મન કા ચલતા તન ચલે... સંપાદકીય પરમ પૂજ્ય દાદાશ્રી પાસેથી જ્ઞાન પ્રાપ્તિ થયા પછી જે આત્માના સાચા સુખની અનુભૂતિ થાય છે, ત્યારે સમજાય છે કે આ સંસાર એ ફસામણ છે. જ્ઞાનના આધારે જીવનનો ધ્યેય નક્કી થાય છે કે આ દેહે શુદ્ધ બ્રહ્મચર્ય પાળી દાદાશ્રીના કલ્યાણ મિશનમાં નિમિત્ત બનવું છે. બ્રહ્મચર્ય પાલનનો નિશ્ચય થયા પછી પણ આ બ્રહ્મચર્યના નિશ્ચયને કોણ નબળો બનાવે છે ? એ સંદર્ભમાં કબીર સાહેબે કહેલું કે મન કા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય. આજની જ્ઞાન-સમજણથી નિશ્ચય દ્રઢ થાય છે બ્રહ્મચર્ય પાળવાનો, પણ ગતભવની જ્ઞાન-સમજણ પૂરેપૂરા સમજણવાળા હોતા નથી. તેના પરિણામે આજનું મન બન્યું. હવે આ મન બંને બાજુનું બતાવે. વિષયનો મોહ પણ થાય અને બ્રહ્મચર્યનો ભાવ પણ થાય. એ ગમતા-નાગમતામાં કૂદાકૂદ કરાવે. આ મન તો જ્ઞાની પાસેથી પણ દૂર ભગાડે, મનના કહ્યા પ્રમાણે ચાલનારાનો ભરોસો શું રખાય ? મનના કહ્યા પ્રમાણેની પોતે લૉ બુક બનાવે અને પછી એ પ્રમાણે ચાલે. મનના કહ્યા પ્રમાણે ચાલે તો મિકેનિકલ કહેવાય, એ ક્યારે પડી જાય તે ન કહેવાય. મન તો વિરોધાભાસી છે, એક બાજુ બ્રહ્મચર્ય પાળવું છે પણ એ ચાલે છે કઈ બાજુ એ ચકાસી લેવું પડે. કારણ કે મનની દિશા પર ચાલતા એ મન ક્યારે ધ્યેય ચૂકાવી, પરણાવી દે એમાં ચોક્કસ-સાબદા રહેવું જરૂરી છે. પોતે નિરંતર જાગૃતિ રાખવાની છે અને ચેક કરવું કે મારે કયે રસ્તે ચાલવું. આપણે નિશ્ચય જ્ઞાનથી કરેલો છે કે મનથી એ તપાસ કરતાં રહેવું અને પોલવાળા નિશ્ચયને ધીમે ધીમે સમજણ અને જ્ઞાનથી જ્ઞાનવાળો નિશ્ચય બનાવી દ્રઢ કરી નાખવાનો છે. મન પોતાના સિદ્ધાંતને અનુરૂપ કહેતું હોય તો સ્વીકાર્ય છે પણ ધ્યેયથી વિરુદ્ધ બતાડતું હોય તો તેનું હરગીજ નહીં ચલાવવું. મનને તો કંટાળો આવે અસીમ જય જયકાર કરવા, સામાયિક કરવામાં, સત્સંગમાં આવવા ત્યારે એના કહ્યા પ્રમાણે નથી કરવાનું અને એનો વિરોધ કરવાનો છે. એમાં તન્મયાકાર નથી થવાનું. જે નિશ્ચય થયા પછી ક્યારેય ફરે નહીં, તે ખરું ! નિશ્ચયવાળો તો મનને ગાંઠતો હશે ? પ્રસ્તુત અંકમાં દાદાશ્રી કેવી રીતે ધ્યેય સામે મન બાધક છે એની જાગૃતિ આપે છે. આ મનને મારવાનું નથી પણ મન જોડે કળાથી કામ કાઢી એને જ્ઞાને કરી છૂટું પાડી નિકાલ કરવા ચાવી આપે છે. કોટી જન્મોની પુણ્યાઈથી બ્રહ્મચર્યનો ધ્યેય પ્રાપ્ત થયો હવે ધ્યેયની પૂર્ણતા માટે મનના દોરવ્યા ના દોરાતા, આજની જ્ઞાન-સમજના આધારે અને જ્ઞાનીના આશ્રયે રહી ધ્યેય સિદ્ધિનો પુરુષાર્થ આદરી લઈએ, એ જ અભ્યર્થના. જય સચ્ચિદાનંદ. મન કા ચલતા તન ચલે... (પા.૪) ‘ના ગમતું’ ના ખપે પ્રશ્નકર્તા : આમ ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો’ બોલવાનું હોય ને તો આમ બોલવાનું ગમે, પણ પેલી દસ-પંદર મિનિટથી વધારે બોલવાનું થાય એટલે પછી મનને ના ગમે. દાદાશ્રી : એમ ? એની વેલ્યુ (કિંમત) સમજાઈ નથી એટલે. લોક તો સમજે કે આ ‘રામ રામ’ બોલવા જેવું બોલાવડાવે છે. કેટલાકને પહેલીવારકું એવું સમજાય ને ? અણસમજુ લોકો એટલે, પણ આ નથી એવું. તેથી જ આ હું જોડે જોડે કહું છું કે ‘ધીસ ઈઝ ધી કેશ બેન્ક ઑફ ડિવાઈન સોલ્યુશન !’ (દિવ્ય ઉકેલની આ રોકડી બેન્ક છે.) પ્રશ્નકર્તા : પછી બહુ થાય ને, એટલે કંટાળો આવવા માંડે. દાદાશ્રી : પણ કોને કંટાળો આવે ? ‘મન’ને કંટાળો આવે, ‘આપણને’ કંટાળો આવતો હશે ? મન કા ચલતા છીએ આપણે ? આપણે તો માણસ છીએ. માણસ એનું નામ કહેવાય કે ‘ના ગમતું’ હોય જ નહિ ને જ્યાં સુધી કંઈ પણ ‘ના ગમતું’ હશે, ત્યાં સુધી બળજબરીથી એ કરવું પડશે. આ તમારે દવા ‘ના ગમતી’ હોય તોય પીવી પડે છે ને ? નહીં તો છ રસ લે, કડવું સાથે લે, તો પછી કડવી દવા ના લેવી પડે. પણ એ નથી લેતા એટલે પછી કડવી દેવા લેવી પડે છે. રસ તો પૂરા કરવા પડશે ને ? પ્રશ્નકર્તા : ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો’ બોલવાનું ગમે છે. પણ પછી લાંબું ચાલે ને, એટલે એવું થાય કે હવે બંધ કરી દઈએ. દાદાશ્રી : લાંબુ કોને કહો છો ? લાંબા-ટૂંકાનું તો તારું તો ઠેકાણું નહિ ને ! તારી તો ડિક્શનરી જ જુદી જાતની ! ‘ગમતું’ આવ્યું એટલું જ થાય, બીજું ના થાય. ત્યારે તો આ બધી દવા ગમતી આવતી હોય ને તો જ પીતા હોય? સંડાસ લાગે ત્યારે જવાનું ગમતું હશે ? આ ઉધરસ ખાવાની ગમતી હશે લોકોને ? છીંક ખાવાની ગમતી હશે ? ‘ના ગમતું’ કાઢી નાખવું એનું નામ પુરુષાર્થ. ‘ના ગમતું’ એટલે આપણે કંઈ માલિક છીએ? કોણ છો તમે ? ‘મને નથી ગમતું.’ તે ભણવાનુંય ના ગમે લોકોને તો. નિશાળમાં જવાનું, ટાઢમાં નીકળવાનું ગમતું હશે? પણ જવું જ પડે ને ? પથારીમાંથી ઊઠવાનુંય ના ગમે, એવાંય છોકરાં છે. એવા નહીં હોય? પ્રશ્નકર્તા : હોય. દાદાશ્રી : અરે, આ બધાંય છોકરાંઓ ના ઊઠે. એ તો બધાંને ઊઠાડે પછી. પ્રશ્નકર્તા : મનેય સવારે ઊઠવાનું ગમતું જ નથી. દાદાશ્રી : કોઈનેય ના ગમે. પણ ઊઠ્યા વગર છૂટકો જ નહીં ને ! ચાલે જ નહીં. પ્રશ્નકર્તા : પણ પેલું મન એવું સમજાવતું હોય કે આ (કિર્તન ભક્તિ) ગાવાથી કશું થાય નહીં. દાદાશ્રી : પણ આવું ઊંધું સમજાવે ત્યારે આપણે કહીએ નહીં કે આજ દિન સુધી તે મારું શું ભલું કર્યું, તે હું જાણું છું. માટે તારી સલાહ બાજુએ મેલ. તારી વાત અમારે નથી સાંભળવી. એ જુદા છે ને આપણે જુદા છીએ, આપણે શું લેવાદેવા ? અત્યાર સુધી આપણે એ જાણતા હતા કે આ સગો ભાઈ જ છે, એટલે એના કહ્યા પ્રમાણે આપણે ચાલતા હતા. (પા.૫) બ્રહ્મચારી કોને કહેવાય કે જેને ‘ના ગમતું’ કશું હોય જ નહીં. કોઈ કડવી દવા આપે, ત્યારે તમને કહે કે ‘તમને ગમશે ?’ ત્યારે કહે, ‘અમને વાંધો નહીં.’ ‘ના ગમતું’ શબ્દ બોલાતો હશે ? આ દવાઓ બધી લોક ગમતી પીતા હશે ? કેટલી ચીજો ‘ના ગમતી’ કરવી પડે રોજે ? પ્રશ્નકર્તા : ઘણી વસ્તુઓ. દાદાશ્રી : એટલે મનને ‘ના ગમતું’ હોય તો આપણે ‘જય જયકાર હો’ બોલીએ તો શું ફાયદો ? અરે, વધારે ફાયદો થાય ઊલટો. મનના વિરુદ્ધ કરીએ એટલે મન એક બાજુ સમજી જાય કે હવે આપણું માનતા નથી. માટે આપણા બિસ્તરા-પોટલા બાંધીને આપણે બીજે ગામ જવાની તૈયારી કરી દો. એનું અપમાન થાય એટલે બહુ જ સારું રહે. મનનું તો મનાય જ નહીં ને ! ‘મન કા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય.’ જાનવરો ચાલે મનના કહ્યા પ્રમાણે મનના કહ્યા પ્રમાણે ચાલે એટલે જાનવર કહેવાય. આ બધા જાનવરો મનના કહ્યા પ્રમાણે ચાલવાના. હિન્દુસ્તાનના મનુષ્યો મનના કહ્યા પ્રમાણે ના ચાલે એવું હોવું જોઈએ. પ્રશ્નકર્તા : પણ મોટે ભાગે મનના કહ્યા પ્રમાણે જ ચલાય છે. દાદાશ્રી : આ અમે કહીએ છીએ એ જ્ઞાન છે. એટલે ધીમે ધીમે ફેરફાર કરવો. મોટાભાગે મન છંછેડાય એવું કેમ કરીને કહેવાય? આપણને હરકત ન લાગે તે બાબતમાં ચલાવાય. આપણે સમભાવે નિકાલ કરવો છે. મનને એવી રીતે ના ચાલવા દેવું. મન આપણને દોરી જાય, એવું ન બનવા દેવું. આપણે પોતાની રીતે મનને ચલાવવું. મન તો જડ છે. આ લોકો મનના ચલાવ્યા ચાલે તો એને બધું સર્વસ્વ જતું રહેશે. નહીં તો મન પડે લપટું મનના કહ્યા પ્રમાણે ચલાય જ નહીં. મનનું કહ્યું જો આપણા જ્ઞાન પ્રમાણે ચાલતું હોય તો એટલું એડજસ્ટ (ગોઠવણી) કરી લેવાય. આપણા જ્ઞાનની વિરુદ્ધ ચાલે તો બંધ કરી દેવાય. પ્રશ્નકર્તા : એટલે મનના કહ્યા પ્રમાણે ચાલે તો નિયમ તૂટે એવું ખરું ને ? દાદાશ્રી : રહ્યો જ ક્યાં તે નિયમ ? કો’કનામાં ડહાપણ વાપરવું વચ્ચે તે. મન નિયમવાળું છે પણ આપણે તો જ્ઞાન પ્રમાણે ચાલવું છે. નહીં તો મન પણ નિયમવાળું છે. એનાથી તો આ જગતના લોકો બહુ સારી રીતે રહી શકે છે. અમારું મન ઘણુંય કહે કે ‘આ ખાવ, આ ખાવ’ પણ નહીં. નહીં તો મન લપટું પડી જાય, વાર ના લાગે. અને લપટો પડી ગયો, તેને આખો દહાડો કકળાટ હોય, દયાજનક સ્થિતિ. તું તો ચંદુભાઈને રડાવનારો માણસ, તું કંઈ જેવો તેવો માણસ છું ? એ પછી આ મન તો એનું, ચંદુભાઈનું, આપણે શું લેવાદેવા ? હવે આપણે શુદ્ધાત્મા. પ્રશ્નકર્તા : ચોક્કસ. દાદાશ્રી : મન એ ચંદુભાઈનું. એ મનના કહ્યા પ્રમાણે આપણે નહીં ચાલવાનું. મનના કહ્યા પ્રમાણે ચાલે ને, એનું બ્રહ્મચર્ય ટકે નહીં, કશુંય ટકે નહીં, ઊલટું અબ્રહ્મચર્ય થાય. મનને ને આપણે શું લેવાદેવા? મનની લૉ બુક ચૂકાવે ધ્યેય પ્રશ્નકર્તા : એક વાર આપે એવું કહેલું કે જ્યારે અમે સત્સંગમાંથી ઊઠીને બહાર ચા પીવા ગયેલા ત્યારે આપે કહેલું કે બીજી બધી બાબતમાં આવું છૂટું રાખવું અને એક તમારે બ્રહ્મચર્યની બાબતમાં જ મનનું ના માનવું. (પા.૬) દાદાશ્રી : ને બીજી બાબતમાં માનવું ? એટલે તમને ટેસ્ટ (રસ) હોય તો માનો ને ! મારે શું વાંધો છે ? તમને ટેસ્ટ હોય તો મને કંઈ વાંધો નથી. એ તો બ્રહ્મચર્યમાં માનશો તોય મારે વાંધો નથી. પ્રશ્નકર્તા : એવું નહીં. દાદાશ્રી : તો ? પ્રશ્નકર્તા : એટલે આ બેમાં ખબર ના પડી એટલે પૂછ્યું. દાદાશ્રી : આ તો બ્રહ્મચર્ય ઉપર તમે સ્ટ્રોંગ (દ્રઢ) રહો એટલા માટે આમ કહેવા માગું છું, એવા હેતુથી એવું બોલેલો. તેથી કરીને બીજા ઉપર તમે એમ કહો કે મનનું બીજું નિરાંતે માનજો. તમારું કામ થઈ ગયું ! શું કાઢશો આમાં ? કેવી વકીલાત કરો છો ? પ્રશ્નકર્તા : પોતાની લૉ બુક (કાયદાપોથી)માં લઈ જવાય છે! દાદાશ્રી : લૉ બુક તો એની એ જ. આ પક્ષકાર કેવા માણસ છે? વિરોધીના પક્ષકાર ! હવે ડાહ્યા થઈ જાવ, નહીં તો નહીં ચાલે આ દુનિયામાં. એ તો મનના કહેવા ઉપરથી તમે બધા લૉ બુક વાપરો છો. એમાં ને એમાં જ, એટલા જ સર્કલમાં. કંઈ સવારમાં સત્સંગ માટે આવવામાં તમે મોડા થાવ છો કે એવી તેવી કશી ભૂલ નથી. અહીં આવવામાં ભૂલ થાય તો અમે કહીએ નહીં, કે તમે રેગ્યુલર થઈ જાવ. ફલાણું આમ થઈ ગયું, એવું કશું છે નહીં. આ તો તમારી એ જ ભૂલો ને તમે એના એ જ ગોટાળા કરો. મનના કહેવા પ્રમાણેની લૉ બુક તમે વાપરો છો ! એનું ઉપરાણું લે લે કરો છો ! એનું ઉપરાણું લો છો, ત્યારે શું થાય એનું ? તમે શું કરશો હવે? તમે હઉ ઉપરાણું લેશો ? આ તો એની એ જ ભૂલો. બીજી કંઈ નવી જાતની ભૂલો છે દુનિયામાં? ચગે, પતંગ કે મન ? પ્રશ્નકર્તા : બે-ત્રણ દિવસથી મને પતંગ ચગાવવાનું બહુ મન થાય છે, તો તે નહીં ચગાવવી ? દાદાશ્રી : આ પતંગ ચગાવવાની ઇચ્છા થાય, એ ક્યારે બ્રહ્મચર્ય પાળી શકે ? આવા માણસને પેસવા દેવાતા હશે કંઈ ? પ્રશ્નકર્તા : મેં રાત્રે નક્કી કરેલું કે હવે આપણે પતંગ નથી ચગાવવી અને સવારે ઊઠ્યો ત્યારથી જ મહીં થયા કરે કે ‘ચગાવવી તો જોઈએ જ ને !’ દાદાશ્રી : તે તો વળી બ્રહ્મચર્ય ક્યારે પળાય ? પીસ્તાલીસ વર્ષ પછી કહેશે કે ‘હવે મારે પૈણવું છે.’ તો ત્યારે વહુ ના મળે. રાહ જોઈએ તોય ના મળે. એટલે નિશ્ચયબળ જોઈએ. પતંગની બાબતમાં તો બે મહિનાથી મન પાછળ નથી પડ્યું ને? કેટલા કલાકથી પાછળ પડ્યું હતું ? પ્રશ્નકર્તા : ચાર-પાંચ કલાકથી. દાદાશ્રી : તે ચાર-પાંચ કલાક પર જ ઢીલું થઈ ગયું, તો છ મહિના સુધી પાછળ પડશે, ‘પૈણો, પૈણો.’ તે એમાં પુરાવા સહિત દેખાડશે બધું. તો શું થાય પછી ? મન કહે, ‘પતંગ ઉડાડો’, એટલે પતંગ ઉડાડે. થોડીવાર પછી મન કહેશે કે બ્રહ્મચર્ય પાળ ! અલ્યા, બ્રહ્મચર્ય તો નિશ્ચયવાળાનું કામ છે. કંઈ તમારા લોકોનું કામ છે આ? એ તો પુરુષાર્થી માણસ, પુરુષ થયેલો હોય ! આ પ્યાદાનું શું કામ છે તે ? મન ચલાવે માંહ્યરા લગી... પ્રશ્નકર્તા : પહેલેથી જ બધું એવું. મનનું જ ધારેલું બધું કરવાનું. (પા.૭) દાદાશ્રી : જુઓ ને, ચારસો વર્ષ ઉપર કબીરે કહ્યું, કેવો એ ડાહ્યો માણસ ! કહે છે, ‘મન કા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય.’ ડાહ્યો નહીં કબીરો ? પ્રશ્નકર્તા : ડાહ્યો કહેવાય. દાદાશ્રી : અને આ તો મનના કહ્યા પ્રમાણે ચાલ્યા કરે. મન કહે કે ‘આને પૈણો’ તો પૈણી જવું ? પ્રશ્નકર્તા : ના, એવું ના થાય. દાદાશ્રી : તે હજુ તો બોલશે. એવું બોલશે તે ઘડીએ શું કરશો તમે? બ્રહ્મચર્ય વ્રત પાળવું હોય તો સ્ટ્રોંગ (મજબૂત) રહેવું પડે. મન તો એવુંય બોલે અને તમને હઉ બોલાવશે. તેથી હું કહેતો હતો ને કે કાલે સવારે તમે નાસી હઉ જશો. એનું શું કારણ ? મનના કહ્યા પ્રમાણે ચાલનારાનો ભરોસો જ શું ? કારણ કે તમારું પોતાનું જ ચલણ નથી. ત્યારે પોતાના ચલણવાળો એવું ના કરે. મનના કહ્યા પ્રમાણે ચાલનારો માણસ અહીંથી જતો રહે એ કઈ ગેરન્ટીના આધારે ? અરે, લો, હું તને બે દહાડા જરા પાણી હલાવું, અરે, છબછબિયાં કરું ને, તો પરમ દહાડે જ તું જતો રહે. એ તો તને ખબર જ નથી. તમારા મનના શું ઠેકાણાં? બિલકુલ ઠેકાણા વગરના મન. પોતાના સેન્ટરમાં જ ઊભું રહ્યું નથી. મનના કહ્યા પ્રમાણે તો ચાલો છો હજુ. આ ‘નથી નાસી જવું, નથી નાસી જવું’, એ કહેવા પૂરતું જ. પણ હજુ તો શુંય કરશો ? એ તો કોણ સ્ટ્રોંગ માણસ કહેવાય કે જે કોઈનુંય માને નહીં. મનનું કે બુદ્ધિનું કે અહંકારનું કે કોઈ ભગવાન આવે તેનુંય ના માને. તમારું તે શું ગજું? આ તમને તો મન કહે છે કે ‘સ્મશાનમાં જાઉં તો મન વાંધો નથી ઊઠાવતું અને મન વાંધો ઊઠાવે કે ત્યાં નહીં જવાનું તો ના જાય! પ્રશ્નકર્તા : પોતે અહીંયા દાદા પાસે આવીને જે નિશ્ચય કર્યો છે, એ બાબતમાં મનનું કોઈ દિવસ સાંભળ્યું નથી. દાદાશ્રી : એમ ? સવળું મન બોલે ખરું ? પ્રશ્નકર્તા : હા, સવળું બોલે છે. દાદાશ્રી : અવળું બોલ્યું નથી એટલે. થોડું ઘણું અવળું બોલે તેને તમે ગાંઠો નહિ પણ સાત દહાડા સુધી તમને છોડે નહિ અને એ પાછું મહીં કહેશે, ‘આ જ્ઞાન બધું મળી ગયું છે, હવે વાંધો નથી. લોકોમાં આપણી વેલ્યુ ખૂબ છે. આમ છે, તેમ છે.’ બધું સમજાવી કરી ચલાવે આપણને! પ્રશ્નકર્તા : એવું ના થાય હવે. દાદાશ્રી : તેથી અમે આ તમને પાછળ બહુ નુકસાન ના થાય એટલા હારુ તમને ચેતવીને કહીએ કે આમાં ‘મન કા ચલતા’ છોડી દો છાનામાના, તમારા સ્વતંત્ર નિશ્ચયથી જીવો. મનની જરૂર હોય તો આપણે લેવું અને જરૂર ના હોય તો થયું, બાજુએ રાખો એને. પણ આ મન તો પંદર-પંદર દહાડા સુધી ફેરવીને પછી પૈણાવે. મોટા મોટા સંતોય ભડકી ગયેલા, તો તમારું તો શું ગજું ? ‘નથી ગમતું’ જ કાઢી નાખો આ કહે છે કે ‘કામ કરવાનું નથી ગમતું પણ દાદાની આજ્ઞા છે એટલે કામ કરીએ છીએ !’ આ નથી ગમતું બોલ્યા કે એ કામ તરત ચઢી બેસે. હવે આ બધો તમારો રોગ જાય ક્યારે ? તમને પૈણાવે તો જતો રહે (!) પેલી વહુ કાઢી આપે (!) મારી-ઠોકીને, હલાવી હલાવીને કાઢી આપે. પ્રશ્નકર્તા : હવે તમારે અમારા રોગ હલાવી હલાવીને કાઢવા પડશે. દાદાશ્રી : હું નવરો છું આ બધું કાઢવા (પા.૮) હારુ ? હું કાઢી આપું, કહે છે. હું કેટલાના કાઢું ? હું તો કહી દઉં તમને. પ્રશ્નકર્તા : આપે જ કરવું પડે ને ? દાદાશ્રી : હા, પણ એ તો કહી છૂટું પણ તમારી મરજી ના હોય તો શી રીતે કાઢું ? પ્રશ્નકર્તા : મરજી તો છે જ, કાઢવા જ છે. દાદાશ્રી : મરજી થાય ત્યારથી તો એ નીકળવા માંડે, એની મેળે. તમારે નીકળવા માંડ્યા ? પ્રશ્નકર્તા : હું ના ગમતું હોય એવા કામ પણ કરું છું પણ આપ પૂછો છો એટલે કહું ને કે આ નથી ગમતું, એમ. દાદાશ્રી : ‘ગમતું નથી’ એ શબ્દ જ કાઢી નાખો. આપણી ડિક્શનરીમાં એ શબ્દ જ ના જોઈએ. પોતાના અભિપ્રાયમાં રહેવું સ્ટ્રોંગ ‘આમને’ (નીરુબેનને) છે તે ના ગમતું કશું નથી, બધું જ ગમે. આટલા વર્ષોથી નિરંતર અમારી જોડે ને જોડે જ રહ્યા છે પણ એમને કશી ભાંજગડ નહીં ને ! કારણ કે એ એમના (ધ્યેયના) અભિપ્રાય પ્રમાણે ચાલનારા ! એ મનને ગાંઠે જ નહીં. તે અમે એમની જોડે એક શર્ત કરેલી. મેં એમને કહેલું, ‘આ બ્રહ્મચર્ય તમારે પાળવું પડશે, તે આવી રીતે ચાલશો તો જ પળાશે.’ પ્રશ્નકર્તા : એટલે કેવી રીતે ? દાદાશ્રી : પોતાના અભિપ્રાય ઉપર સ્ટ્રોંગ રહેવું જોઈએ. બીજું શું કરવાનું ? તે એમ જ રહે છે. અને તું તો મહીં જો મન કંઈ બોલવાનું ચાલુ કરે તે સાંભળ સાંભળ કરે. પછી હમણે તો કલાક સુધી કાઢી મેલે, બે કલાક સુધી કાઢી મેલે, ચાર કલાક કાઢી મેલે. પણ પછી તું એક્સેપ્ટ (સ્વીકાર) કરી લઉં. એ ચાલે નહિ. પ્રશ્નકર્તા : આમ તો અમે આ અભિપ્રાયમાં સ્ટ્રોંગ છીએ ને ? દાદાશ્રી : તે અભિપ્રાય સ્ટ્રોંગ છે, પણ મન જ્યારે સામું થાય ને, અત્યારે વખતે થોડીવાર સામું થયું હોય તોય છે તે તમે કાઢી નાખો એને. પણ ચાર-ચાર, છ-છ મહિના જો એ માલ નીકળ્યો તો બગડી જાય ! પ્રશ્નકર્તા : મન સામું થાય ત્યારે પોતે પોતાના અભિપ્રાયમાં સ્ટ્રોંગ રહેવું અને જે મન બતાવે એને ‘જોયા’ કરવું ? દાદાશ્રી : હા, એને જોયા કરવું. ત્યાં અમને પૂછે કે આવું થયા કરે છે, હવે શું કરવું ? અમે એને સ્ટ્રોંગ કરી આપીએ, કે ભઈ, સાંભળીશ જ નહીં. તું એને જોયા કર. જોયા જ કરવાનું છે. પછી આપણને ગમતું હોય, આપણા અભિપ્રાયમાં હોય તો એ પ્રમાણે મન ભલે ને એડજસ્ટ થતું હોય, એનો કશો વાંધો નહીં. આપણને ગમતું હોય ને એને ના ગમતું હોય, એને ગમતું હોય ને આપણને ના ગમતું હોય. કારણ કે આ મન એ જુદી વસ્તુ થઈ ગઈ ને, એટલે અમે જીતીને બેઠેલા. મન તો ક્યારે જીતાશે ? મનનું સંભળાતું હશે ? જરૂરિયાત પૂરતું સાંભળે, પછી બીજું પોતાનું ધાર્યું જ કરે. એ જ કહેવા માગું છું કે અમારો સિદ્ધાંત છે. તારે માનવું હોય તો માન. ના માનવું હોય તો અમારે કંઈ જરૂર નથી. અમે ‘વીટો’ વાપરીશું. મન તો ક્યારે જીતી શકે ? એની આંખ ખેંચાય, તે મનના આધારે આંખ ખેંચાય છે એ સમજી જાય. પછી તરત જ મનની બધી વાતો કાપી જ નાખે. અહીં આવવાનું મન ચરબી કરે (પા.૯) (હેરાન કરે) છે, પણ તે આમાં કાપી નાખે. મન છટકબારી ખોળે. જ્યાં આગળ મહેનત ના પડે ને, ત્યાં મન પેસી જવા ફરે. મનના કહ્યામાં ના ચાલે તો રાગે પડે. આપણા ધ્યેય પ્રમાણે જ આપણો નિશ્ચય છે. આજના નિશ્ચય પ્રમાણે જ આપણે કરવાનું. આપણું આજનું પ્લાનિંગ (આયોજન) છે તે પ્રમાણે કરવાનું, મનના પ્લાનિંગ પ્રમાણે નહિ. નહીં તો એ થાય નહિ. આ બ્રહ્મચર્ય પળાય નહિ અને અહીં પણ રહેવાય નહિ. દાદા પાસેય ટકાય નહિ. ધ્યેયનો જ નિશ્ચય બ્રહ્મચારી થવાનો તારો નિશ્ચય છે પણ આ તો મનના કહેવા પ્રમાણે તું બધું કરે છે. એટલે તારું બધું છે જ ક્યાં ? એ તો ‘મને’ કહ્યું હતું, એ પ્રમાણે ‘આ પૈણવામાં મઝા નથી.’ તે આવું બધું ‘મને’ તને કહ્યું હતું ને તે એક્સેપ્ટ કર્યું હતું. પ્રશ્નકર્તા : હવે નિશ્ચય થયો ને પણ ? દાદાશ્રી : હવે નિશ્ચય તારો. જો એને તું નક્કી કરે કે હવે આ મારો નિશ્ચય. પછી મનને કહી દઈએ કે ‘હવે જો આડું તું કરશે તો તારી વાત તું જાણું.’ હવે તો આપણા સિદ્ધાંત તરીકે સ્વીકારી દે, એટલે આપણો એ જ નિશ્ચય. પ્રશ્નકર્તા : સિદ્ધાંત તરીકે સ્વીકાર્યા પછી ‘આપણો’, નહીં તો ‘મનનો’ ? દાદાશ્રી : તો બીજા કોનો ? કંઈ એનો છે ? પણ અત્યારે ‘આપણું’ ક્યાં છે અહીં આ મિલકતમાં ? જે આપણી મિલકત હતી, તે દબાવી પાડી છે ને તેય આપણી ઓરડીમાં રહે છે. તેય ચોરી કરે છે પાછો ઉપરથી ? કો’કના ઘર ઉપરથી નળિયાનો ટુકડો પડે ને વાગે તોય કશું ના બોલે. કારણ કે ત્યાં મન કહે છે કે ‘કોને કહીશું આપણે ?’ એ તો એનું મન શીખવાડે છે, એ પ્રમાણે એ બોલે છે. આપણે અત્યારે સિદ્ધાંત છે એ પ્રમાણે મન ચાલવું જોઈએ. મનનું કહ્યું ના માનવું. સામાયિકમાં ચલણ, મનનું પ્રશ્નકર્તા : સામાયિકમાં બેસવું ના ગમે, ગુલ્લી મારવાનું મન થઈ જાય. દાદાશ્રી : મન બૂમો પાડે પણ તારે શી લેવાદેવા ? તારા સિદ્ધાંતની વિરુદ્ધ ચાલે છે ? જો ચાલે છે, તો ચલણ એનું છે હજુય. એ ના કહે તો આપણે શું ? એ તો સામાયિક જ ના કરવા દે. પ્રશ્નકર્તા : પહેલાં શરૂઆતમાં હું બે-એક વર્ષ રેગ્યુલર સામાયિક કરતો હતો. એ મને ગમતું હતું ત્યારે. દાદાશ્રી : તે તું ગમતું-ના ગમતું એ જ માર્ગે છે ને ! પાછો કહે છે, મને ગમતું હતું. મનનું માને એ માણસ જ ના કહેવાય. એ મશીનરી ન કહેવાય તો બીજું શું કહેવાય ? પોતાનું ચલણ નહીં ને કશું? પોતાનું ચલણ ના હોય ? તમે પુરુષ થયા ને ? પ્રશ્નકર્તા : પોતાનું જ હોવું જોઈએ. દાદાશ્રી : સત્સંગમાં આવવાનું મન ના પાડે તો શું કરે ? ત્યાં મનનું માનો છો ? પ્રશ્નકર્તા : મનનું ના માનું. દાદાશ્રી : એવું માનો તો પછી રખડી મર્યા ને ! રહ્યું શું તે? જાનવરોય એનું માને, તમેય એનું માનો. ઘણી ખરી વખત મનના વિરુદ્ધ કરો છો કે નહીં ? પ્રશ્નકર્તા : ઘણી વખત. દાદાશ્રી : સારું. મનના ચલાવ્યે ચાલે એ (પા.૧૦) તો મિકેનિકલ કહેવાય. પેટ્રોલ મહીં પૂરીએ એટલે મશીન ચાલ્યા કરે. તનેય એવું થાય છે ? તો તો આપણે ના પૈણવું હોય તોય પૈણાવડાવે. પ્રશ્નકર્તા : એમાં એવું ના થાય. દાદાશ્રી : કેવા માણસ છો તે ? આપણી ઇચ્છા પ્રમાણે ના ચાલવા દે, તો પછી તારું ચલણ જ નથી. પ્રશ્નકર્તા : સામાયિક કરવાની ઇચ્છા એટલી સ્ટ્રોંગ નહિ. દાદાશ્રી : ઓહો ! તો તો આ બધો ધર્મ કરવાની ઇચ્છા જ નથી. આમાં સ્ટ્રોંગ નહિ ને પાછો. સામાયિક એટલે અડતાલીસ મિનિટની વસ્તુ છે. અડતાલીસ મિનિટ ઠેકાણે બેસે નહીં તો આ બ્રહ્મચર્ય કેમ કરીને પળાય ? એના કરતાં છાનોમાનો પૈણી જાય તો સારું. આ બ્રહ્મચર્ય પાળે છે તે બ્રહ્મચર્ય એટલે પોતાનું નિશ્ચયબળ, કોઈ ડગાવે નહીં એવું. કો’કના કહ્યાથી ચાલે એ બ્રહ્મચર્ય શી રીતે પાળે ? ચાલી રહ્યા ક્યાં ? દિશા કઈ ? બ્રહ્મચર્યવાળો તો કેવો હોય માણસ ? હેય, સ્ટ્રોંગ પુરુષ ! ઊંચા મનોબળવાળો ! એ આવા તે હોતા હશે ? તેથી તો હું વારે ઘડીએ કહું છું કે ‘તમે જતા રહેશો, પૈણશો.’ ત્યારે તમે કહો છો કે ‘એવા આશીર્વાદ તમે ના આપશો.’ મેં કહ્યું, ‘હું આશીર્વાદ નથી આપતો, તમારો વેષ દેખાડું છું આ ! અત્યારથી જો ચેતો નહીં ને પોતાના હાથમાં લગામ લીધી નહિ તો ખલાસ ! ક્યાં ગાડું લઈ જાવ છો?’ ત્યારે કહે, ‘બળદ જ્યાં લઈ જાય ત્યાં !’ બળદ જે દિશામાં જાય એ દિશામાં ગાડું જવા દે કોઈ ? બળદ આમ જતા હોય તો મારી-ઠોકીને, ગમે તેમ કરીને, આમ લઈ લે. પોતાના ધારેલા રસ્તે જ લઈ જાય ને? પ્રશ્નકર્તા : ધારેલા રસ્તે લઈ જાય. દાદાશ્રી : ને તમે તો બળદના ચલાવ્યા ગાડાં ચલાવો છો. ‘એ આ બાજુ જાય છે તો હું શું કરું’ કહે છે. તો એના કરતાં પૈણો ને નિરાંતે! ગાડું આ બાજુ જતું હોય તો અર્થ જ નહિ ને ! નિશ્ચયબળ છે નહિ, પોતાનું કશું છે નહિ. પોતાની કશી લાયકાત છે નહિ. તને શું લાગે છે ? ગાડું જવા દેવું ? પ્રશ્નકર્તા : ના જવા દેવાય. દાદાશ્રી : તો કેમ આ ગાડાં જાય છે ? પ્રશ્નકર્તા : આપ કહો છો ને ત્યારે ખબર પડે છે કે આ મનના કહ્યા પ્રમાણે કર્યું હતું, નહિ તો ખબર જ નથી પડતી. દાદાશ્રી : હા, પણ ખબર પડ્યા પછી ડાહ્યો થાય કે ના થાય? પ્રશ્નકર્તા : થાય. મન તો સામાયિકમાંથી ઊઠાડે દાદાશ્રી : હવે પાછા તમે પરમ દહાડે એવું કહેશો કે ‘મને મહીંથી એવું જાગ્યું એટલે ઊઠી ગયો સામાયિક કરતાં કરતાં !’ પ્રશ્નકર્તા : સામાયિક કરવા બેસીએ તો મઝા નથી આવતી. દાદાશ્રી : મઝા ના આવતી હોય તો એનો વાંધો નહિ પણ મનના કહ્યા પ્રમાણે કરે, તે ના ચલાવી લેવાય. પ્રશ્નકર્તા : પણ આ મઝા ના આવે એટલે એવું થાય કે હવે બેસવું નથી. (પા.૧૧) દાદાશ્રી : પણ આમ મનના કહ્યા પ્રમાણે ચાલવું છે, એવી ઇચ્છા નહીં ને તારી ? પ્રશ્નકર્તા : આ તો હવે ખબર પડી ને ! દાદાશ્રી : મઝા ના આવે એ જુદી વસ્તુ છે. મઝા તો આપણે જાણીએ કે આને ઇન્ટરેસ્ટ (રસ) બીજી જગ્યાએ છે અને આમાં ઇન્ટરેસ્ટ ઓછો છે. ઇન્ટરેસ્ટ તો અમે કરી આપીએ. પ્રશ્નકર્તા : મઝા ના આવે એટલે મન બતાવે કે હવે જતા રહીએ. દાદાશ્રી : મનની એ વાત હું કરતો નથી. મઝાને ને મનને લેવાદેવા નથી. પ્રશ્નકર્તા : મઝા ના આવે તો પછી એવું થાય કે સામાયિકમાં નથી બેસવું. દાદાશ્રી : મઝા શાથી નથી આવતી, તે હું જાણું છું. પ્રશ્નકર્તા : મને સામાયિકમાં કશું દેખાતું જ નથી. દાદાશ્રી : શેનું દેખાય પણ, આ બધાં લોચા વાળે છે ત્યાં ! પ્રશ્નકર્તા : પોતાને ખબર પડે કે આ બધા લોચા વાળેલા છે, ત્યાર પછી દેખાય ને ? દાદાશ્રી : ના, પણ પહેલું સમજણ જ પહોંચી નથી ને ત્યાં એની, તે એને સમજાય નહીં, ત્યાં સુધી દેખાય શી રીતે ? આ શું વાત કહેવા માગે છે તે જ સમજણ પહોંચી નથી ને ! તેમાં દાખલા આપું છું, ગાડાંનો દાખલો આપું છું, મિકેનિકલનો દાખલો આપું છું, પણ એકુંય સમજણ પહોંચતી નથી મહીં. હવે શું કરે તે ? પ્રશ્નકર્તા : ફિલમની જેમ દેખાવું જોઈએ ને ? દાદાશ્રી : શી રીતે દેખે પણ ? તમે જોનાર નથી. ગાડાંના માલિક નથી ને ? માલિક થાય તો દેખાય. અત્યારે તો તમે બળદના કહ્યા પ્રમાણે ચાલો છો. તે બળદના કહ્યા પ્રમાણે ચાલે એને કશું ફિલમ ના દેખાય. પોતાના નિશ્ચયથી ચાલે તેને દેખાય બધું. આ બીજાને શું ફિલમ દેખાતી નથી ? ના દેખાય ને ! પ્રશ્નકર્તા : સામાયિક કરવામાં ઇન્ટરેસ્ટ નથી એટલે એવું થાય ને? દાદાશ્રી : ઇન્ટરેસ્ટ ના હોય તેનું ચલાવી લેવાય, આનું ના ચલાવી લેવાય. આના જેવી કોઈ મૂર્ખાઈ કરતો હશે ? ત્યારે શું જોઈને કરતો હશે? પ્રશ્નકર્તા : આવું હું કરું છું એ હજુ ખબર પડતી નથી, સમજાતું નથી. દાદાશ્રી : સમજાતું જ નથી, નહિ ? ક્યારે સમજાશે ? બે-ત્રણ અવતાર પછી સમજાશે ? પૈણે તો પેલી સમજાવે. ‘સમજાતું જ નથી’ કહે છે ! આ ગાડાંનો દાખલો આપ્યો, પછી નિશ્ચયબળની વાત કરી. જે આપણું ધારેલું ના કરવા દે, એનું કંઈ મનાય ખરું ? મા-બાપનું નથી માનતા ને મનની વધારે કિંમત ગણે છે એમ ? પ્રશ્નકર્તા : પણ મને સામાયિકમાં કશું દેખાતું જ નથી. દાદાશ્રી : શું જોવાનું હોય તે દેખાય ? પ્રશ્નકર્તા : આપ કહો છો ને કે ચાર વર્ષ સુધીનું દેખાય બધું. દાદાશ્રી : એ એવું ના દેખાય. એ તો ઊંડા ઉતરવાનું કહીએ ત્યારે દેખાય. મનના કહેવા પ્રમાણે ચાલે એ બધા ગાડાં જ ને ? પછી દેખાય શી રીતે ? ‘દેખનારો’ જુદો હોવો જોઈએ, પોતાના (પા.૧૨) નિશ્ચયબળવાળો! અત્યાર સુધી મનનું કહેલું જ કરેલું, તેને લીધે એ બધું આવરણ એનું આવેલું. પ્રશ્નકર્તા : સામાયિક કરતા હોય અને સામાયિક કરવાનું મન ના પાડે ત્યાં ઉદયકર્મ ખરો ? દાદાશ્રી : ઉદયકર્મ ક્યારે કહેવાય કે નિશ્ચય હોવા છતાં નિશ્ચયને ઝંપવા ના દે, ત્યારે ઉદયકર્મ કહેવાય. પ્રશ્નકર્તા : વિચાર ઉદયકર્મને આધીન તો ફૂટતા નથી ને ? દાદાશ્રી : પણ આપણો નિશ્ચય હોય તો સામાયિક કરવું. નિશ્ચય હોય તો મહીં પ્રકૃતિને અનુકૂળ ના આવતું હોય તોય કરવું. બાકી, વિચાર એ ઉદયકર્મને આધીન થાય છે. તે આપણે જોવું. એ આપણા પુરુષાર્થની વાત છે. વિચારો જોઈએ તો એ ઉદયકર્મ પૂરું થઈ ગયું ત્યાં. જોઈએ એટલે ખલાસ ! એમાં પરિણમીએ એટલે ઉદયકર્મ શરૂ થઈ ગયું ! ધ્યેય પ્રમાણે હાંકો મનને આ તો ‘મન કા ચલાયા’ ચાલો છો, પોતાના વીલ પાવર (આત્મબળ)થી નથી ચાલ્યા. ત્યાં આ નથી ગમતું અને આ ગમે છે, એ એનાં સાધનો, એ રોંગ કહેવાય. સૈદ્ધાંતિક હોવું જોઈએ. પણ શું થાય? એમાં કામ કરતી વખતે સૈદ્ધાંતિક થઈ જાય, તો થઈ જાય. પ્રશ્નકર્તા : થઈ જશે. દાદાશ્રી : જુઓ ને, અત્યારથી થતા નથી. પ્રશ્નકર્તા : એ તો થઈ જશે. દાદાશ્રી : થઈ જશે એ તો આશાઓ જ રાખવાની ને ? હજુ નાની બાબતમાં, એક નક્કી કર્યું કે મનનું નથી માનવું એટલે કામનું હોય એટલું માનવું ને ના કામનું હોય એ નહીં. ગાડું આપણા ધાર્યા રસ્તે જતું હોય તો આપણે ચાલવા દેવું. અને પછી આમ ફરતું હોય તો આપણે ધ્યેય પ્રમાણે ચલાવવું. દરેક બાબતમાં એવું કરવાનું હોય. આ તો કહે, ‘એ આ બાજુ દોડે છે, હવે હું શું કરું ?’ હવે એ ગાડાંવાળાને કોઈ ઘરમાં પેસવા દે ? પ્રશ્નકર્તા : ના, પણ મહીં ગમતી હોય એ વસ્તુ કરવાની નહીં? દાદાશ્રી : કોને ગમતું હોય એ કરવાનું ? આ હું નાસ્તો નથી કરતો? પણ ના ગમતું રાખવાનું એને. પ્રશ્નકર્તા : અમે તો સવારે ઊઠીને તમારી પાસે આવવાનું એવું રાખીએ, બીજો કોઈ નિશ્ચય નહીં. અમુક બાબતોમાં મન કહે એમ માનવું, વ્યવહાર જે માન્ય હોય એમ. દાદાશ્રી : આપણા કહ્યા પ્રમાણે ચાલવું. આપણે જરૂર હોય, આપણો ધ્યેય હોય, એ પ્રમાણે ચાલવું. આપણે બોરસદ જવા નીકળ્યા, પછી અડધો માઈલ ચાલ્યા, પછી મન કહેશે, ‘આજે રહેવા દો ને !’ એટલે પાછો ફરે આ તો. તો ત્યાં પાછું ના ફરવું. લોકોય શું કહે ? અક્કલ વગરના છો કે શું ? જઈને પાછા આવ્યા. તમારું ઠેકાણું નહીં કે શું ? એવું કહે કે ના કહે લોકો ? પ્રશ્નકર્તા : કહે. દાદાશ્રી : મોક્ષે જવાનો નિશ્ચય ખરો કે તારો ? પ્રશ્નકર્તા : મોક્ષે જવાનો નિશ્ચય વધારે. દાદાશ્રી : એમાં કશું આડું આવે તો ? પ્રશ્નકર્તા : તોય નિશ્ચય ના ડગે. દાદાશ્રી : મન મહીં બૂમાબૂમ કરે તો ? (પા.૧૩) પ્રશ્નકર્તા : તોય નિશ્ચય ના ડગે. દાદાશ્રી : એનું નામ માણસ કહેવાય. આમને કુરકુરિયાંને (અદબદ નિશ્ચયવાળાને) શું કરવાના બધાંને ? તને આ બધી વાતો સમજાય ? પ્રશ્નકર્તા : થોડું થોડું સમજાય છે. મને તો એવું જ લાગે છે કે મારો નિશ્ચય છે. દાદાશ્રી : શાનો નિશ્ચય તે ? મનના કહ્યા પ્રમાણે ચાલે છે તે ! નિશ્ચયવાળાને આવું મન હોતું હશે ? મન હોય પણ હેલ્પીંગ (મદદગાર)હોય. ફક્ત પોતાને જરૂરિયાત પૂરતું જ, જેમ બળદ હોય તે પોતાના ધણીના કહ્યા પ્રમાણે ચાલે ને ! પણ આપણે આમ જવું હોય ને એ આમ જતા હોય તો ? મનમાં ના ફસાતા, છો ને બૂમ પાડે પ્રશ્નકર્તા : મનને ઇન્ટરેસ્ટ ના પડે તો એ બૂમો પાડે ને ? દાદાશ્રી : છો ને બૂમો પાડે તે ! બધાંયને એવું બૂમો પાડે. મન તો બૂમો પાડે. એ તો ટાઈમ થાય એટલે બૂમો પાડે. બૂમો પાડે તેથી શું કશું દાવા માંડવાના છે ? ઘડીવાર પછી પાછું કશુંય નહીં, એની મુદ્ત પૂરી થાય એટલે. પછી આખો દહાડો બૂમ ના પાડે. જો મહીં તું ફસાયો તો ફસાયો, નહીં તો ના ફસાયો તો પછી કશુંય નહીં. તું સ્ટ્રોંગ રહે ને? પ્રશ્નકર્તા : કેટલીક વખત સ્ટ્રોંગ રહેવાય. દાદાશ્રી : તારું મન તો શું કહેશે, ‘આ ભણતરેય પૂરું નથી કરવું.’ એવું કહે તો એવું કરવું ? પ્રશ્નકર્તા : દાદા કહે એવું કરું. દાદાશ્રી : અમે કંઈ તારું અહિત કરીએ ? તમે તમારી જાતનું અહિત કરો પણ અમારાથી થાય નહિ ને ! અમારા ટચ (સંપર્ક)માં આવ્યા એટલે તમારું હિત જ કરવા માટે અમે બધી દવા આપી ચૂકીએ. છતાંય મન ના સુધરે તો પછી એ એનો હિસાબ. બધા પ્રકારની દવાઓ આપીએ અને દવાઓ તો બધું મટી જાય એવી આપીએ. છતાંય પોતે જો આડો હોય તો પીવે જ નહીં ને ! પ્રશ્નકર્તા : નાક દબાવીને રેડી દેજો. દાદાશ્રી : નાક કોણ દબાવે ? આ કંઈ નાક દબાવવાથી નથી થાય એવું. તું કહેતો ન હતો કે મને સ્કૂલમાં જવાનું નથી ગમતું. નિશ્ચય તો હોવો જોઈએ ને કે મારે સ્કૂલ પૂરી કરવી છે. પછી આમ કરવું છે, તેમ કરવું છે. પછી બધાંની જોડે કાયમ સંગમાં રહેવું છે, બ્રહ્મચર્ય પાળવું છે, એવી આપણી યોજના હોય. આ તો વગર યોજનાએ જીવન જીવવું એનો શો અર્થ ? પ્રશ્નકર્તા : કૉલેજમાં જવાનું તો મને પણ નથી ગમતું. દાદાશ્રી : કૉલેજમાં જવું જ પડે ને ! બધાના મનનું સમાધાન કરવું જ જોઈએ ને ? ફાધર કે મધર, એમના મનનું સમાધાન કરીને મોક્ષે જવાનું, નહીં તો તું શી રીતે મોક્ષે જઉં ? એમ ઘરમાંથી બળવો કરીને નાસી ગયા એટલે થઈ ગયું ? તો કંઈ મોક્ષ થઈ જાય ? એટલે તરછોડ ના વાગવી જોઈએ. નિશ્ચય એ જ પુરુષાર્થ દાદાશ્રી : બ્રહ્મચર્યનો કોર્સ પૂરો કરીશ ? પ્રશ્નકર્તા : ચોક્કસ. પેલું તો જોઈએ જ નહીં. બ્રહ્મચર્યનો નિશ્ચય વર્તે આમ, પણ પુરુષાર્થમાં કચાશ પડી જાય, તો એના માટે શું કરવું ? દાદાશ્રી : એ પુરુષાર્થમાં કચાશ નહીં, નિશ્ચય એ જ પુરુષાર્થ. (પા.૧૪) પ્રશ્નકર્તા : નિશ્ચય હોય એટલે પેલી વસ્તુ રહે જ પછી. દાદાશ્રી : તે ડિસ્ચાર્જમાં કચાશ હોય છે. કચાશ હોય એ ડિસ્ચાર્જમાં હોય, ચાર્જમાં ના હોય અને તે ડિસ્ચાર્જમાં હોય, તેની કિંમત નહીં. પ્રશ્નકર્તા : વિષયની બાબતમાં તો પહેલેથી સ્ટ્રોંગ રાખેલું છે અને હજુ પણ એ બાબતમાં વધારે જાગૃતિ રાખેલી છે છેક સુધી, પણ આ જે બીજા જે સંસારમાં પ્રસંગો બને ને... દાદાશ્રી : બીજાનું કશું નહીં, બીજાની કિંમત જ નહીં. કિંમત જ આની છે, બ્રહ્મચર્યની. બીજા બધા મનુષ્યના દેહમાં પશુ (જેવા) છે ! પાશવતાનો દોષ છે, બીજાની કિંમત જ નહીં. પ્રશ્નકર્તા : બાકી એટલે સુધી નક્કી છે કે હવે જો વિષયમાં તો કંઈ થાય તો ચંદુભાઈ (ફાઈલ નં. ૧)ને ખલાસ કરી નાખું, (ગમે તે થાય) પણ હવે તો આ (વિષય) ના જ જોઈએ. દાદાશ્રી : તો બ્રહ્મચર્યનું સારું કહેવાય. એ સમજૂતી જોઈએ. બાકી હેવાનિયત હોય, તે તો અટકે નહીં ને ! મન સામું પડશે તો ડૂબાડશે પ્રશ્નકર્તા : આ બ્રહ્મચર્યની બાબતમાં કર્મનો સિદ્ધાંત એવો ખરો? દાદાશ્રી : બ્રહ્મચર્ય એકલું તમે નભાવી શકો. આ કોઈએ નક્કી કર્યું હોય કે નથી પૈણવું, તો નભાવી શકો. આપણું જ્ઞાન એવું છે, તો નભાવી શકાય ! બીજા કર્મો છોડે જ નહીં ને ! પ્રશ્નકર્તા : અમને આ લગ્નવાળું કર્મ પાછળ ના પડે ? દાદાશ્રી : બહુ ચીકણું હોય તો પાછળ પડે. અને તે ચીકણું હોય તો આપણને પહેલેથી ખબર પડે, એની ગંધ આવી જાય. પણ એ તો જ્ઞાનથી રાગે પડી જાય. આપણું આ જ્ઞાન એવું છે કે એ કર્મને પતાવી શકે, પણ આ બીજા કર્મો તો ના પતે ને ! આ તો પેલા નાનાં નાનાં છોકરાઓએ નક્કી કર્યું છે ને કે ‘અમારે પૈણવું નથી,’ એના જેવી વાતો. કેટલુંક સમજ્યા વગર હાંક્યે રાખે ! ‘વ્યવસ્થિત’માં હોય અને ના પૈણે તો અમને વાંધો નથી. પણ ‘વ્યવસ્થિત’માં ના હોય અને પાછળ મોટી ઉંમરે બૂમાબૂમ કરે કે હું પૈણ્યા વગર રહી ગયો, તો કોણ કન્યા આપે? પેલો છે તે બ્રહ્મચર્ય પાળી શકે. કારણ કે એ મનનું માનતો જ નથી. બિલકુલેય નહીં ને ! મનનું કશુંય માનવું ના જોઈએ. આપણો અભિપ્રાય જ માનવાનો ને મનનું થોડુંક માનીએ એટલે બીજી વખત ચઢી બેસે પછી તો. પ્રશ્નકર્તા : મારું મન આવું બધું બતાવે કે સત્સંગમાં બેસવું છે, દાદા પાસે જવું છે. દાદાશ્રી : મારું કહેવાનું કે આપણા અભિપ્રાય પ્રમાણે જો મન થતું હોય તો આપણને એક્સેપ્ટ છે. એ અભિપ્રાયવાળું મન થઈ જાય તો સારું, પણ મન જ્યારે સામું પડશે, તે ઘડીએ તને ડુબાડી દેશે. ન ચાલે વેવરીંગ માઈન્ડ આમાં પ્રશ્નકર્તા : આપણા વિજ્ઞાનમાં ગયા અભિપ્રાયથી મન ઊભું થયું તેને જોવાનું, એમાં ભળવાનું નહીં ને ? દાદાશ્રી : જુએ તો તો પછી કામ જ થઈ ગયું ને ! જુએ એટલે પછી કશું રહ્યું જ નહીં. આ તો જુએ નહીં તેને માટે છે આ વસ્તુ. આ તો એના પ્રમાણે ચાલે છે ને પકડો પકડે છે પાછી. ચાલે તેનોય વાંધો નથી, પકડ પકડે છે તેનો વાંધો છે. (પા.૧૫) મહીંથી મન શું કહે ? ‘આ ખાવ ને !’ અમે કહીએ કે ‘ભઈ, એ ખવાય નહીં. તમે બૂમો પાડો તો નકામું છે. અમે અમારા આજના જ્ઞાનના આધારે ચાલીએ, આજના અભિપ્રાયથી ચાલીએ.’ પાછલું જ્ઞાન કહે છે, ‘ખાવ ને !’ આપણું આજનું જ્ઞાન બ્રહ્મચર્ય પાળવાનું હોય અને ગયા વખતનું જ્ઞાન બ્રહ્મચર્ય પાળવાની હા પાડે. છ મહિના પછી પાછું નવી જ જાતનું બોલે કે ‘પૈણવું જોઈએ.’ એવું મનની સ્થિતિ એક ના હોય કોઈ દહાડોય, ડામાડોળ હોય, વિરોધાભાસવાળી હોય. પ્રશ્નકર્તા : છ મહિના પછી મન પૈણવાનું બતાવે, જુદું જુદું બતાવે. તો અમુક સમય આવો જ્ઞાનમાં જાય તો પછી મન એકધારું બતાવતું થઈ જાય ને ? પછી આડુંઅવળું બતાવતું બંધ ના થઈ જાય? દાદાશ્રી : ના, એવું ના થાય. ઘૈડો થાય તોય પૈણવાનું કહે ને! પોતે મનને કહેય ખરો કે ‘આ ઉંમર થઈ, છાનું બેસ !’ એટલે મનનું ઠેકાણું નથી એમ સમજીને મનમાં ભળવાનું જ નહીં. આપણા અભિપ્રાયને માફક હોય એટલું મન એક્સેપ્ટેડ. નિશ્ચય, જ્ઞાનના આધારે કે મનના ? પ્રશ્નકર્તા : મનના આધારે થયેલો નિશ્ચય અને જ્ઞાને કરીને થયેલો નિશ્ચય એનું ડિમાર્કેશન (ભેદાંકન) કેવી રીતે હોય છે ? દાદાશ્રી : જ્ઞાને કરીને કરેલા નિશ્ચયમાં તો બહુ સુંદર હોય. એ તો બહુ જુદી વસ્તુ છે. મન જોડે કેમ વર્તવું એ તો બધી સમજણ હોય જ. એને પૂછવા ના જવું પડે કે મારે શું કરવું ! જ્ઞાને કરીને નિશ્ચય તે તો વાત જુદી જ ને ! આ તો તમારા મનથી કરેલું છે ને ! એટલે તમારે જાણવું જોઈએ કે કો’ક દહાડો ચઢી બેસશે. પાછું મન જ ચઢી બેસે. જે મને આ ટ્રેનમાં બેસાડ્યા તે જ ટ્રેનમાંથી પાડી નાખે. એટલે જ્ઞાને કરીને બેઠા હોય તો ના પાડી નાખે. પ્રશ્નકર્તા : મનથી અત્યાર સુધી થયેલો નિશ્ચય એ જ્ઞાને કરીને થઈ જવા માટે શું કરવું ? દાદાશ્રી : હવે જ્ઞાને કરીને તમારે એને ફીટ કરી દેવાનું. એટલે પતંગની દોરી આપણા હાથમાં આવી જવી જોઈએ. એટલે બ્રહ્મચર્યની દોરી આપણા હાથમાં આવી જવી જોઈએ. પછી મન ગમે તેટલું બૂમ પાડે તોય તેનું કશું ચાલે નહીં. બે-પાંચ વર્ષ સુધી તું સામું બોલે અને પેલું કહે, ‘પૈણ, પૈણ’ અને બધા સંજોગો વિપરીત થાય તોય આપણે ખસીએ નહિ. કારણ કે આત્મા જુદો છે બધાથી. બધા સંયોગો વિયોગી સ્વભાવના છે. પ્રશ્નકર્તા : જ્ઞાને કરીને નિશ્ચય થયેલો હોય તો તો એનું મન સામું થાય જ નહીં ને આવું ? દાદાશ્રી : ના, ના થાય. જ્ઞાને કરીને નિશ્ચય થયેલો હોય તો તો એના ફાઉન્ડેશન (પાયા) જ જુદી જાતના ને ! એના બધા આર.સી.સી.ના ફાઉન્ડેશન હોય અને આ તો (મનનો નિશ્ચય) રોડાં ને મહીં ક્રોંક્રીટ કરેલું. પછી ફાટ જ પડી જાય ને ? નબળાઈથી મનને તાબે તારા મનના કહ્યા પ્રમાણે તું કેટલો ચાલે છે ? પ્રશ્નકર્તા : ઘણો વખત જવું પડે. દાદાશ્રી : બીજા શેના આધારે ચાલે તું ? પ્રશ્નકર્તા : મનની સામે બીજું કોઈ જ્ઞાન ઊભું થાય છે કે ‘આ ખોટું છે, આમ ના થવું જોઈએ, આમ ના કરવું જોઈએ.’ તો પછી કોઈ વખત જ્ઞાનનો ફોર્સ જીતી જાય અને ચૂકી ગયા તો મનનો ફોર્સ જીતી જાય. (પા.૧૬) દાદાશ્રી : એટલે જે પક્ષ જીતે તે લઈ જાય, વૉલીબોલ જેવું ! તારા મનમાંથી બાર મહિના પછી એવું નીકળે રોજ રોજ, મન એવું કહે કે ‘પૈણ, પૈણ, પૈણ. પૈણવું જોઈએ, પૈણવું જોઈએ !’ એવું નીકળે તો તું શું કરું ? પ્રશ્નકર્તા : એ તો એ બાબતના પ્રત્યેક વિચાર આવે, તેને ઊખેડીને ફેંકી દેવાના છે. દાદાશ્રી : પણ છ મહિના સુધી તું એટલો બધો પુરુષાર્થ કરે? જો કદી તમને છ મહિના સુધી મન કોચ કોચ કરે તો તમારું ગજું નહીં. અને મન તો એવું નીકળે મહીંથી ! અત્યારે તમારા ધાર્યા પ્રમાણે મન નીકળે છે. તમે કહો છો, ‘ના’, તો કહે, ‘નહીં.’ જ્યારે એવું નીકળશે ને, ત્યારે સાસુ-વહુ જેવું નીકળશે. ત્યારે ‘આવી જાવ,’ કહેશે. માટે ચેતતા રહેવું. હું તમને ડિસ્કરેજ (ઉત્સાહ ભંગ) કરવા નથી કહેતો. મનની સામા થાવ હરેક રીતે. મન જે બાજુ ચાલે તે બાજુ શરીર જાય, તો ખલાસ થઈ જાય માણસ. અને જગત આખું એવી રીતે ખલાસ થઈ ગયેલું છે. પ્રશ્નકર્તા : મનના ચલાવ્યા ચાલે છે એનું કારણ શું ? દાદાશ્રી : પોતાની નબળાઈ. અનંત અવતારથી નબળાઈ પેસી ગયેલી, તે નીકળતી નથી. હવે પોતાનો એવો અહમ્ નહીં, એવી નબળાઈ જ છે ખાલી. મનના કહ્યા પ્રમાણે ચલાય જ કેમ ? એક અક્ષરેય મનનો માનવો નહિ. ‘ચલે જાવ’ કહીએ. પછી બીજું કશું નહિ. આવે ખરું મનમાં, પણ તે ગાંઠે નહિ. એક અક્ષરેય ગાંઠતો નથી. અપરિચયથી મનને છૂટકારો મનનો સ્વભાવ કેવો છે ? એક ફેરો એ વસ્તુથી છેટે રહ્યા ને, બાર મહિના કે બે વરસ સુધી છેટે રહ્યું, એટલે એ વસ્તુને જ ભૂલી જાય છે પછી. છેટું રહ્યું કે ભૂલી જાય. નજીક ગયું એટલે પછી કોચ કોચ કરે. પરિચય મનનો છૂટો થયો, ‘આપણે’ છૂટા રહ્યા એટલે મન પણ પેલી વસ્તુથી છેટું રહ્યું. એટલે ભૂલી જાય પછી, કાયમને માટે. એને યાદેય ના આવે. પછી કહે તોય એ બાજુ જાય નહીં. એવી તમને સમજણ પડે? તું તારા ભાઈબંધથી બે વરસ છેટો રહ્યો, તો તારું મન ભૂલી જાય પછી. મહિનો-બે મહિના સુધી કચકચ કર્યા કરે, એવો મનનો સ્વભાવ છે અને આપણું જ્ઞાન તો મનને ગાંઠે જ નહીં ને ! મનનું માન્યે ચૂકાય ઉપયોગ જગત આખું મનનું ચલાવ્યું ચાલે છે. મન આમ કહે તો આમ. તેં મનથી છેટે રહેવાનો પ્રયત્ન કર્યો ? કોણે આ ઉશ્કેર્યો છે ? મને જ. પ્રશ્નકર્તા : આપે કહ્યું કે વૃત્તિઓને ઉપયોગમાં રાખવી જોઈએ. અત્યારે તો બીજે બધે જ જાય છે. દાદાશ્રી : જાય તેનો કશો વાંધો નહિ, પણ આ મન જે દેખાડે તેનું ના માનવું એનું નામ ઉપયોગ. અને મનનું માન્યું એ ઉપયોગ ચૂક્યો. તમને શીખવાડ્યું હતું તોય પાછું ત્યાંનું ત્યાં જ જતું રહે છે. તે ઉપાધિ ન હતી તે ઉપાધિ શરૂ થઈ ગઈ પાછી, મનના કહ્યા પ્રમાણે ચાલ્યા તે ! અમારી હાજરીમાં મન સ્થિર થઈ જાય. કૂદતા મનને ‘ગેટ આઉટ’ કરીએ પ્રશ્નકર્તા : આપે કહેલું કે મન બહુ કૂદાકૂદ કરતું હોય તો પટ્ટો આપી દેવાનો, એ કેવી રીતે ? દાદાશ્રી : આ બીજા લોકોને, જેણે આ જ્ઞાન લીધું ના હોય તેને. જ્ઞાન લીધું હોય તેણે તો જોયા કરવાનું. જ્ઞાન લીધું ના હોય એણે પલટી (પા.૧૭) ખવડાવવી પડે. મનને ભાવતું આપી દે એટલે પેલું બીજું છોડી દે. એને એક ટોપલીનું ખાઈ જવું હોય, તે પાછી બીજી ટોપલી મૂકી આપીએ. એટલે આ ખાવા માંડે, તે પેલું રહી જાય. પ્રશ્નકર્તા : મનને પાછું વાળવા માટે શું કરવું જોઈએ ? દાદાશ્રી : પાછું વાળવા માટે મનને શું ગમે છે એ ટેવ આપણે જાણવી જોઈએ. એની શી શી કુટેવ છે તે આપણે જાણવી જોઈએ. હા, એને ડુંગળીના ભજીયાં ખાવાની ટેવ હોય તો આપણે ખવડાવી દેવા. એટલે એને કહેવું કે આ કુટેવ બંધ કરીશ તો તને ડુંગળીનાં ભજીયાં ખવડાવી દઉં. એટલે વળી જશે. પ્રશ્નકર્તા : અને છતાંય ન વળે તો ? દાદાશ્રી : ન વળે તો મનને ગાંઠવાનું જ નહીં. મન એ ચેતન નથી, નપુંસક છે અને આપણે ચેતન છીએ. ચેતનને નપુંસક શું કરવાના હતા તે ? ‘દાદાની આજ્ઞાથી બોલું છું, ગેટ આઉટ !’ કહીએ એટલે ચૂપ થઈ જશે. જાગૃતિ, મન સામે... મનની વાત તો સંભળાય જ નહીં, બહુ જોખમ. આ ગભરામણ અને સફોકેશન (ગૂંગળામણ) થયું, તે શાથી થયું? મનની વાત સાંભળી તેથી. જે જ્ઞેય હતું તેની વાત સાંભળી. મનની જ વાત સાંભળ સાંભળ કરે એટલે ગૂંચાઈ જાય ને પછી. તમને એવી ખબર પડે કે આ બગડ્યું ? પ્રશ્નકર્તા : મનનું સાંભળવાનું બને એ ખબર પડી જાય. પછી એનું જોર ના ચાલે. દાદાશ્રી : ખબર પડી જાય એ લેવલ (દશા) કહેવાય. લપસ્યો તોય (જાગૃતિ) ના આવે તેને શું કરે ? મનનું સાંભળે કે તન્મયાકાર થઈ જાય. પહેલાં તન્મયાકાર જ થતો હતો. એ હજુ ટેવ જાય નહીં ને ! પહેલાં તન્મયાકાર થઈને જ કરતો હતો. બીજું કંઈ અવલંબન હતું જ નહીં ને ! જ્ઞાનરૂપી અવલંબન નહીં ને ! આ તો અવલંબન થયું અને કહ્યું કે ‘ભઈ, એ એનું કંઈ સાંભળીશ નહિ, એ તો જ્ઞેય છે.’ પ્રશ્નકર્તા : એ મન જોડે તન્મયાકાર ન થવા માટે વાતચીતનો પ્રયોગ બહુ હેલ્પ કરે છે. દાદાશ્રી : પણ એ તો બહુ જાગૃતિ હોય ત્યારે એવું થાય ને! જગત બેભાનમાં છે. કશું ભાન-બાન, રામ તારી માયા ! થોડી જાગૃતિ ખરી પણ ભાન નહીં, એટલે માર ખાયા કરે. આ તો પૌદ્ગલિક લાલચ ના હોય તો છૂટો રહે. પ્રશ્નકર્તા : આપે જાગૃતિ ને લાલચ, એ બે વસ્તુ કહી ને ? દાદાશ્રી : મન એ લાલચુ જ છે. કરો નિશ્ચય ડગે નહિ એવો પ્રશ્નકર્તા : હવે ફાઈનલી મારે આ મનના કહ્યા પ્રમાણે ચલાય છે, તેમાંથી છૂટવા માટે શું કરવું ? દાદાશ્રી : કરવાનું હોતું હશે ત્યાં ? પ્રશ્નકર્તા : અમુક સ્ટેપ તો લેવાના ને ? દાદાશ્રી : શાના સ્ટેપ લેવાના ? એ તો સમજવાનું છે. સમજીને ચોકડી મૂકી દેવાની. આપણો અનિશ્ચય છે એની ઉપર ચોકડી મૂકી દેવાની અને નિશ્ચયનો સ્વીકાર કરી લેવાનો. પ્રશ્નકર્તા : એટલે મનના કહ્યા પ્રમાણે ચાલવાનું નહિ. મન બતાવે એટલે ‘નથી ચાલવું’ એમ શરૂ જ કરી દેવાનું. (પા.૧૮) દાદાશ્રી : નાપાસ જ કરી દેવાનું. આપણા ધ્યેયને ચૂકવે એ ભાગ બધો ઊડાડી દેવો. આમાં કરવાનું શું છે ? નિશ્ચય ફક્ત. તે નિશ્ચય ડગે નહીં એવો કર્યો છે કે નથી કર્યો ? પ્રશ્નકર્તા : નિશ્ચય ડગે નહિ એવો કર્યો છે. દાદાશ્રી : સો ટકા ડગે નહીં એવો ? પ્રશ્નકર્તા : એવું લાગે છે. દાદાશ્રી : પણ થોડો કાચો ખરો તું અને તે છતાંય અમે કહીએ કે ભઈ, હજુ મન છે તે સાચી વસ્તુમાં કૂદાકૂદ કરતું હોય તો કર! અમે લેટ ગો કરીએ, કે ભઈ, એ સાચી વસ્તુ છે. કંઈ આ ગાયનો (ગીતો) સાંભળવા એ કંઈ સાચી વસ્તુ નથી. આ ખાવાનું એ સાચી વસ્તુ છે. તે એને અમે લેટ ગો કરીએ. સૂવાની વસ્તુ સાચી છે, તે એને અમે લેટ ગો કરીએ કે ભઈ, અમુક ચાર કલાક સુધી સૂજે કે પાંચ-છ કલાક સૂઈ જજે. આ પતંગ ઉડાડું એની જરૂરિયાત કેટલી ? કેટલાય લોક, જેને જ્ઞાન ના હોય તેય કહે કે આની શી જરૂરિયાત છે ? આ તો વગર કામની, અનાવશ્યક પીડા ! એવું જ્ઞાન ના હોય તોય કહેનારા હોય કે ના હોય? પ્રશ્નકર્તા : હોય ને ! દાદાશ્રી : મનના કહ્યા પ્રમાણે ચાલવું એટલે મિકેનિકલ કહેવાય. આ બુદ્ધિજીવીઓ છે તે મનના કહ્યા પ્રમાણે નહિ ચાલવાના, બુદ્ધિના કહ્યા પ્રમાણે ચાલવાના. પણ તેય ખોટું. એ બુદ્ધુ બનાવે છેવટે. આપણે પુરુષ થયા પછી, પુરુષ અને પ્રકૃતિ બે જુદા પડ્યા પછી, નિશ્ચય ના હોય તો એ કામનું જ શું તે ? અને મન તો ‘રિલેટિવ’માં ગયું. એનો તો સ્વીકાર જ ના હોય ને ! હવે તન્મયાકાર નહીં થવું મનનું કશું માનવાનું નહીં. મન જ્ઞેય છે ને આપણે જ્ઞાતા. એટલે જ્ઞેય-જ્ઞાતાનો સંબંધ એટલે શું ? એ જોવાનું. કૂદાકૂદ કરતું હોય કે સારું વિચારતું હોય કે ખરાબ વિચારતું હોય, તે આપણે જોયા કરવાનું. એટલે આપણે એમાં તન્મયાકાર નહીં થવાનું. અજ્ઞાન દશામાં તન્મયાકાર થતા હતા, હવે તન્મયાકાર નહીં થવાનું. એટલે આ જ્ઞાનની મુખ્ય વસ્તુ એ છે કે તે કાચું ના પડી જાય આમાંથી. વિજ્ઞાન ખરું ને ? આમાં ભૂલચૂક ના થવી જોઈએ. મનનું ખાસ ભૂલ ના થાય એવું કરજો. બીજું બધું થયું હશે, તે પાછું સુધારી આપું. એ તો તારે મનને ઠપકો આપવો પડે. મનને ઠપકો આપે છે? સવારથી કશું કહે છે ? બે-ચાર ઠપકા આપે છે ? પ્રશ્નકર્તા : અવળો વિચાર આવે એટલે તરત કહું કે ‘આ બરાબર નથી’, પણ ઠપકો આપવો એવું નથી કરતો. દાદાશ્રી : બે-ચાર વખત ઠપકો ને બધું આપવું જોઈએ. આમ ખભો થાબડવો જોઈએ કે ‘અમે છીએ, તમારી જોડે.’ આ તો નાની ઉંમર છે, બધું રાગે થઈ જાય. પછી પાછળથી તો કઠણ પડી જાય. પ્રશ્નકર્તા : મન જોડે વાતચીત કરવાનો પ્રયોગ, એ કેવી રીતે કરવાનો ? દાદાશ્રી : એ તો આપણે અરીસામાં જોઈને વાત કરીએ તો થાય આમ ! મનને કહીએ, ‘અમે તારામાં ડખલ નહીં કરીએ, તું અમારામાં ડખલ ના કરીશ.’ પછી કો’ક દહાડો મન કહેશે, ‘અમારામાં કેમ ડખલ કરો છો ? ત્યારે આપણે કહીએ, ‘હવે તારામાં ડખલ નહીં કરીએ એટલે અમારામાં ડખલ ના કરીશ.’ કેટલાં ભાગીદારોના તોફાન છે આ બધાં તો, પણ શુદ્ધાત્મા હાથમાં આવી ગયો અને પાંચ વાક્યો (આજ્ઞા), એટલે બસ થઈ ગયું. (પા.૧૯) મનને ટેકલ કરતા શીખીને, લાવો ઉકેલ મનનું તો કશું આપણે માનવાનું જ નથી. મનના કહ્યા પ્રમાણે શરીર ચાલે તો અંદરથી લૂંટાઈ જાય પછી. એ આપણે નહીં લેવાનું ને જગત આખું એના પર ચાલે છે. મનના કહ્યા પ્રમાણે ચાલે છે અને આ મોક્ષમાર્ગ એટલે દાદાની આજ્ઞા પ્રમાણે ચાલવાનું. સત્સંગમાં આપણે મનને ખોરાક ના આપીએ એટલે એ આપણને ખાઈ જાય. એને ખોરાક નાખવો જ પડે. પેલામાં (સંસાર) વ્યવહારમાં તો આપણને ખોરાક મળ્યા જ કરે એમ ને એમ. પેલો કશું બોલે તે પહેલાં આપણે આપી દઈએ. એટલે એવું મનને ખોરાક મળ્યા કરે. આ સત્સંગમાં કયો ખોરાક મળે ? આમાં (એવું) હોય નહીં. આમાં આપી દેવાનું નહીં ને ! એને માટે મનને શું ખોરાક આપવો જોઈએ કે ‘જગતનું કલ્યાણ હો, તે એ કલ્યાણમાં નિમિત્ત થઉં.’ એટલે મનને કામ આપશો ને, એટલે મન એનું કામ કર્યા કરશે. એક કામ આપી દેવાનું અને જગત કલ્યાણ એ જ આપણું કામ ! મન જોડે થોડું ઘણું બોલે એટલે મનને પેલું બીજું કાર્ય બંધ થઈ જાય. એટલે આત્મા સ્થિર થાય. પછી જો વાંચવું હોય તો વાંચેય ખરો. એ વાંચે તો આત્માનો ઉપયોગ કર્યો કહેવાય. નહીં તો સ્થિર થાય, એટલે એય આત્માનો ઉપયોગ કહેવાય. એટલે આખો દહાડો પછી અંદર બોલાય બોલાય કરવું (મન સાથે વાતચીત કરવી) ને મનને (જગત કલ્યાણના) કામ જ સોંપ સોંપ કરવા. બીજો ખોરાક જમવા ન જાય એ વીતરાગ થયો. બીજો ખોરાક જમતો હોય તો આપણે કામ સોંપીએ ને, એટલે બેનો વિરોધાભાસ થાય. એટલે આ બધું ઊડી જાય. વાણી બોલે જુદી અને મન વિચારે જુદું. વાણીના બોલવામાં પેલું મન, વિચાર ને બધું ઊડી જાય. ફરી આવો તાલ મળવાનો નથી કોઈ અવતારમાં, માટે કામ કાઢી લો. આ ભવમાં જ પૂરુ કરી નાખવું પ્રશ્નકર્તા : હવે દાદા, અંદર આમ બ્રહ્મચર્ય માટે નિશ્ચય એવો થઈ જ ગયો છે. દાદાશ્રી : નિશ્ચય તારો થઈ જ ગયો છે. મોઢા ઉપર નૂર આવ્યું ને ! પ્રશ્નકર્તા : આપણે જ્ઞાનમાં થોડી કચાશ રહે ને તો વાંધો નથી, પણ બ્રહ્મચર્યનું તો એકદમ પરફેક્ટ (ચોક્કસ) કરી લેવું છે. એટલે કમ્પલીટ (સંપૂર્ણ) નિર્મૂળ જ કરી નાખવું છે. પછી આવતા અવતારની જવાબદારી નહીં. દાદાશ્રી : બસ, બસ. પ્રશ્નકર્તા : અત્યારે દાદા મળ્યા છે તો પૂરું જ કરી નાખવાનું. દાદાશ્રી : પૂરું જ કરી નાખવાનું. એ નિશ્ચય ડગે નહીં એટલું રાખવાનું. વિષયનો સંયોગ ના થવો જોઈએ. બીજું બધું તમારે હશે તો લેટ ગો કરીશું (ચલાવી લઈશું). બીજી બધી ભૂલો, પાંચ-સાત-દસ જાતની થાય, (દ્રષ્ટિ દોષ, વિચાર દોષ) એની બધી જાતની દવાઓ બતાવી દઈશું. એની દવા હોય છે, મારી પાસે બધી જાતની દવાઓ છે પણ આની (આચાર દોષ થશે તો) દવા નથી. નવ હજાર માઈલ આવ્યો અને ત્યાંથી ના જડ્યું તે પાછો ફર્યો. હવે નવ હજાર પાંચસો માઈલ ઉપર ‘પેલું’ હતું. એ પાછા ફરવાની મહેનત કરી, તેના કરતા આગળ હેંડ ને મૂઆ ! જગત કલ્યાણ રૂપી ખોરાક આપો મનને પ્રશ્નકર્તા : આપે જગત કલ્યાણની વાત કરી, મનને કહીએ કે જગત કલ્યાણ કરવાનું છે, તો એમાં એને ઉતાવળ તો આવે ને ? (પા.૨૦) દાદાશ્રી : એમાં ખરી મઝા આવશે. એનાં ખૂણા બહુ મોટા છે. આખું એનું સર્કલ બહુ મોટું છે. અમે એમાં જ મૂકેલું છે અમારા મનને. તે રાત-દહાડો ખૂણા ખોળ્યા જ કરે એની મેળે. એ ફલાણાભાઈને જ્ઞાન આપીએ, ફલાણાભાઈને આમ કરીએ, ખોળીને આવે એની મેળે. અને આપણું કામ તો થયા જ કરે. એ સ્ટેડી (સ્થિર) રહે અને આપણને હેરાન ના કરે. એ જીવતું (કાર્યરત) રહે. એ આનંદમાં રહે ને આપણને આનંદમાં રાખે એવી ભાવના હવે ભાવવી જોઈએ. પોતાનું કલ્યાણ એટલે શું ? જગતનું કલ્યાણ એ જ પોતાનું કલ્યાણ. માટે કામ આપી દો ને ! તો એને માટે આમ કરશે, તેમ કરશે. કોઈ જતાં હોય તો કહેશે, ‘હેંડો ને, દાદાને ત્યાં.’ પછી મનેય એવું કામ કરશે. મનના કહ્યા પ્રમાણે આપણે ના ચાલવું જોઈએ. આપણા ધ્યેય પ્રમાણે મનને ચલાવવું જોઈએ. અને ધ્યેય પ્રમાણે ના ચાલે તો ટકોર કરવી જોઈએ, બસ. મનના કહ્યા પ્રમાણે ચાલીએ તો વાંધો નથી, પણ આપણા ધ્યેય મુજબ હોય તો. નહીં તો ધ્યેય વિરુદ્ધ હશે તો ફસાવી મારશે, તો મારી નાખશે. એટલે ધ્યેય પ્રમાણે હોવું જોઈએ. ધ્યેય પ્રમાણે મનને બાંધવું પ્રશ્નકર્તા : મન વિચાર કરે અને પછી આપણા ધ્યેય પ્રમાણે હોય તો ચંદુભાઈ એટલું એમાં ઉતરે ? દાદાશ્રી : ધ્યેય પ્રમાણે હોય તો જવા દેવાનું. અને ધ્યેયની વિરુદ્ધ હોય, આપણે જવું હોય ઉત્તરમાં ને એ આમ આ બાજુ ફરે, તો આપણે હાંકીને લઈ જવાનું એ બાજુ. આપણા ધ્યેય પ્રમાણે મનને વાળવું. મન આપણા ધ્યેયને અનુસરીને હોય તેટલો વખત એને અનુસરવું. પ્રશ્નકર્તા : ધ્યેય પ્રમાણે હોય તો એ રીતે વહેવા દેવું એને ? દાદાશ્રી : વહેવા દેવું. પ્રશ્નકર્તા : અને ધ્યેયની વિરુદ્ધ હોય તો એને વાળવું ? દાદાશ્રી : અને આત્મા તરીકે મનમાં પેસવું નહીં. જો ને ! આ આત્મા તરીકે એના મનમાં પેસી ગયો છે, તે મુંઝાઈ ગયો છે ને ! પ્રશ્નકર્તા : એટલે શું ? દાદાશ્રી : મૂજી થઈ જાય. તારે જોયા કરવાનું છે, મનમાં શું વિચાર આવે છે ને સારા આવે કે ખરાબ આવે એ જોયા કરવાના. આપણો ધ્યેય નક્કી કરવાનો. એટલે પછી મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એ બાજુ જ જાય. એટલે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકારને એમ નહીં કહેવાનું કે તમે આમ કરો, પણ આપણે ધ્યેય જ નક્કી કરવાનો. ‘આજ્ઞા પાળવી છે’ એનો જે ધ્યેય નક્કી કર્યો, તો એ બાજુ જાય ને નથી પાળવી એવું નક્કી કરે તો પછી એવું ચાલે. તું શું કરે ? પ્રશ્નકર્તા : ધ્યેય જ નક્કી કરવાનો. દાદાશ્રી : શું શું ધ્યેય નક્કી કર્યાં ? પ્રશ્નકર્તા : દાદાની આજ્ઞામાં રહેવાનું. દાદાશ્રી : એ તો બહુ મોટામાં મોટી વાત. ‘દાદા’ની આજ્ઞામાં જ રહેવું છે, એવું જેને ધ્યેય છે ને, એને બધું જ આવી જાય. તેથી ભગવાને કહેલું ને, ‘આજ્ઞા’ એ તપ ને ‘આજ્ઞા’ એ જ ધર્મ. બીજા તપ તપવાની જરૂર જ શું છે ? ખાજે-પીજે ને, નિરાંતે. (પા.૨૧) મનના કહ્યા ચાલે તો ના પહોંચાય ધ્યેયે મનને કહેવું કે ‘આવું નહીં ચાલે. આ અમારે તો ધ્યેયે પહોંચવું છે. તમે અત્યાર સુધી ગાંડા કાઢેલા. હવે નહીં ચાલે.’ અપાર (આત્મ) સુખના માલિક થવું છે, આ ધ્યેય છે ને તેને દેવલોકોય છેટે રહીને જોયા કરે. એટલે હસવું ને લોટ ફાકવો, બે સાથે બને નહીં. કાં તો લોટ ફાક કાં તો હસી લે ! પોતાનો મત જ ના રાખવો, નહીં તો સ્વચ્છંદ કહેવાય. સત્સંગમાં બધાં કરે એમ કરવું. તે મને પૂછતાં હોય તોય સારું કે ‘મારે શું કરવું, આવું થાય તો ?’ તો હું સમજણ પાડું કે આમ કરજો. તારે ધ્યેયે પહોંચવાની ઇચ્છા ખરી કે ? ધ્યેયે પહોંચવું હોય તો ફેરફાર કરજો બધું, તો ધ્યેયે પહોંચાશે, નહીં તો નહીં પહોંચાય. જ્ઞાને કરીને સિદ્ધાંત નક્કી કરો મન આઈસ્ક્રીમ માગ માગ કરતું હોય તો તે આઈસ્ક્રીમ માગે, તે એના બ્રહ્મચર્યના સિદ્ધાંતને એટલું બધું નુકસાન કરતું નથી. તે એને થોડોક આઈસ્ક્રીમ આપવો, વધારે નહીં. એને ડિસ્કરેજ ના કરો. બે ગોળીઓ પણ ખવડાવી દેવી. અને ‘નહીં, જાવ’ એવું દબાવવાનું, એ ના હોવું જોઈએ. એક ફક્ત પેલું (વિષયી બાબત) આવે ત્યારે વિચારીને કામ લેવું કે ‘ભઈ, આ અમારો સિદ્ધાંત છે. સિદ્ધાંતમાં વચ્ચે આવવું નહિ તારે !’ જેમ આપણી સ્ત્રીને કહીએ છીએ કે ‘મારા ધંધામાં તારે હાથ ઘાલવો નહીં અને અમે તમારામાં ડખલ નહીં કરીએ.’ એવું નક્કી કરીએ એટલે પછી એ ના ઘાલે. પ્રશ્નકર્તા : એનું પાછું શું હોય છે ? દાદાશ્રી : એ તો દરેકને હક છે ને ! સમજાય છે તમને ? અત્યારે તો તમારું મન તમને, ‘પૈણવા જેવું છે નહિ, પૈણવામાં બહુ દુઃખ છે’ એવું હેલ્પ કરે. આ સિદ્ધાંત બતાડનારું તમારું મન પહેલું. આ જ્ઞાનથી તમે સિદ્ધાંત નથી નક્કી કર્યો, આ તમારા મનથી નક્કી કર્યો છે. ‘મને’ તમને સિદ્ધાંત બતાવ્યો કે ‘આમ કરો.’ પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય પાળવાનો સિદ્ધાંત મન બતાડે છે, એમ આ વિષય સંબંધીનું પણ મન જ બતાડે ? દાદાશ્રી : એનો ટાઈમ આવશે ત્યારે પછી છ-છ મહિના, બાર-બાર મહિના સુધી એ બતાવ બતાવ કરશે. પ્રશ્નકર્તા : એ પણ મન જ ? દાદાશ્રી : હા, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ બધા ભેગાં થાય ત્યારે. હું આ બધાંને કહું છું કે મનના કહ્યા પ્રમાણે શું ચાલો છો? મન મારી નાખશે. તમે જે બ્રહ્મચર્યનો નિયમ લીધો તેય મનના કહ્યા પ્રમાણે જ કરેલું છે આ. આ છે તે જ્ઞાનથી સિદ્ધાંત નક્કી નથી કર્યો. ‘મને’ એમ કહ્યું કે ‘આમાં શું મજા છે ? આ લોકો પરણીને દુઃખી છે. આમ છે, તેમ છે.’ એમ ‘મને’ જે દલીલ કરી એ દલીલ તમે એક્સેપ્ટ કરી, તમે સ્વીકાર કર્યો. પ્રશ્નકર્તા : તો જ્ઞાને કરીને આ સિદ્ધાંત પકડાયો નથી હજુ ? દાદાશ્રી : જ્ઞાને કરીને શાનો પકડાયો ? આ તો હજુ મનની દલીલ ઉપર ચાલ્યું. હવે જ્ઞાન તમને મળ્યું છે તે હવે જ્ઞાનથી એ દલીલને તોડી નાખો. એનું ચલણ જ બંધ કરી દો. કારણ કે દુનિયામાં આત્મજ્ઞાન એકલું જ એવું છે કે જે મનને વશ કરી શકે. મનને દબાવી રાખવાનું નહિ, મનને વશ (પા.૨૨) કરવાનું છે. વશ એટલે જીતવાનું. આપણે બેઉ કચકચ કરીએ તેમાં જીતે કોણ ? તને સમજાવીને હું જીતું, તો પછી તું ત્રાસ ના આપું ને ? અને સમજાવ્યા વગર જીતું તો ? પ્રશ્નકર્તા : સમાધાન થાય તો મન કશું ના બોલે. દાદાશ્રી : હા, સમાધાની વલણ જોઈએ. તમને આ બ્રહ્મચર્યનું કોણે શીખવાડેલું ? બ્રહ્મચર્યને આ લોકો શું સમજે ? આ તો એમ સમજી ગયેલો કે ‘આ ઘરમાં ઝઘડા છે તે પૈણવામાં મઝા નથી. હવે એકલા પડી રહ્યા હોઈએ તો સારું.’ પ્રશ્નકર્તા : એવું ખરું કે મન જેટલું વૈરાગ્ય બતાડે છે એટલું પાછું એક વખત આવું પણ બતાડશે ? દાદાશ્રી : બન્ને હોય. મન હંમેશાં વિરોધાભાસી હોય. મનનો સ્વભાવ શું ? એ વિરોધાભાસી, તે બન્ને દેખાડે. માટે આ ચેતવાનું કહું છું. પ્રશ્નકર્તા : મન એક વખત બ્રહ્મચર્યનું, વૈરાગ્યનું બતાડશે એવું રાગનું પણ બતાડે એવું ખરું ? દાદાશ્રી : હા, ચોક્કસ ને ! પછી એ રાગનું દેખાડે. પ્રશ્નકર્તા : એવો ફોર્સ હોય ? દાદાશ્રી : એથી વધારે હોય અને ઓછોય હોય. એનો કાંઈ નિયમ નથી. ચાલવું બ્રહ્મચર્યના સિદ્ધાંત પ્રમાણે પ્રશ્નકર્તા : આમાં આપણે સિદ્ધાંત કયો કહેવો ? દાદાશ્રી : આપણે જે નક્કી કર્યું કે ભાઈ, આપણે બ્રહ્મચર્ય પાળવું છે. એટલે પછી મનનું સાંભળવું જોઈએ ? પ્રશ્નકર્તા : પછી એ બાબતમાં નથી જ સાંભળવું. દાદાશ્રી : નથી જ સાંભળવું. એ તો બહુ ડહાપણની વાત કરે છે. પણ છ મહિના જો એવું ને એવું નીકળે તો તું શું કરે ? છેદ જ ના મૂકે ત્યાં. હવે એ જ્યારે છેદ એવા મૂકે ત્યારે દેહેય છેડો નહીં મૂકે. દેહેય એની તરફ વળી જશે. એટલે બધાં એક બાજુ થઈ જશે, તે તને ફેંકી દેશે. એટલે કહી જ દેવાનું, આટલી બાબત અમારા કાયદાની બહાર તારે સહેજ પણ કશું કરવું નહીં. પ્રશ્નકર્તા : તો પછી ત્યાં સ્ટેપ કેવી રીતે માંડવું ? દાદાશ્રી : એટલે સ્ટ્રોંગ રહેજો. હું કહું છું કે આવું નીકળે તો તમે નાનામાં નાની બાબત માટે પણ સ્ટ્રોંગ રહેજો. સહેજ પણ ગળી જશો તો એ તમને ફેંકી દેશે, એટલે એને કહી દેવાનું કે આટલી બાબતમાં તારે અમારા કાયદાની બહાર સહેજ પણ જુદું ચાલવું નહીં. નાનામાં નાની બાબતમાં જાગૃતિ રાખો, નહીં તો પછી એ લપટું પડી જાય. પ્રશ્નકર્તા : પછી બીજા સિદ્ધાંત આપણા ? દાદાશ્રી : આટલું કરું તો બહુ થઈ ગયું ! જો પાછો બીજાનું પૂછ પૂછ કરે છે ! બીજું પછી ચલાવી લેવાય. તને કારેલાનું શાક ભાવતું હોય ને મન કહેશે, ‘વધારે ખાવ.’ ને ધ્યેયને નુકસાન ન કરતું હોય ને થોડું વધારે ખાધું હોય તો ચલાવી લઈએ એવું નથી કહ્યું તમને ? (રેફરન્સ - ફેબ્રુઆરી ૨૦૧૧ પેજ નં. ૧૧ થી ૨૧ આ ટોપિકના અનુસંધાનમાં સરસ વાતો છે, જે અભ્યાસમાં લઈ શકાય.) (પા.૨૩) પુરુષાર્થથી રક્ષી લો સિદ્ધાંતને પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યનો સિદ્ધાંત એ આપણો ઈન્ડીવિજ્યુઅલ (અંગત) થયો, પણ જ્યારે બે વ્યક્તિઓનો વ્યવહાર ઊભો થાય ત્યારે મન બધું બતાડે અને જ્ઞાને કરીને જોવા જાય તો આખું જ ઑન ધી સ્પોટ ઊડી જાય છે બધું. પણ વ્યવહાર પૂરો કરવો પડે એવું છે, જવાબદારી છે અને એના રિઝલ્ટસ (પરિણામ) બીજાને સ્પર્શ કરતાં હોય, ત્યાં મન બતાડે તો શું કરવું ? દાદાશ્રી : આપણો મુખ્ય સિદ્ધાંત ના તૂટવો જોઈએ. ‘બ્રહ્મચર્ય પાળવું છે’ એ સિદ્ધાંત ના તૂટવો જોઈએ. બીજું બધું તો પોતાનો વ્યવહાર સાચવવા થોડુંઘણું કરવું પડે. તું ત્યાં ના સૂઈ જઈશ, અહીં ઘેર સૂઈ જજે. ત્યાં એવું તેવું બધું કરીએ આપણે. પણ બીજું બધું તો, બ્રહ્મચર્ય પાળવું ને અબ્રહ્મચર્યનો સોદો કરવો, એ બે પોષાય નહીં. એના કરતા પૈણી નાખજો. દહીંમાં ને દૂધમાં બેઉમાં રહેવાય નહીં. પછી ભગવાન આવે તોય ‘નહીં માનું’ એવું કહી દેવું. બીજું બધું ચલાવી લઈશું, જો તમારે આ સિદ્ધાંત પાળવો હોય તો. નહીં તો પછી કહી દેવું કે પૈણી જઈશું. પ્રશ્નકર્તા : મન ફરી વળે, દેહ ફરી વળે, એવી પરિસ્થિતિ ઊભી ના થાય તે માટે એના સ્ટાર્ટિંગ પોઈન્ટમાં (શરૂના તબક્કામાં) ચેતીને ચાલવાનું ? દાદાશ્રી : ચોગરદમ બધાં જ સંજોગો ફરી વળે. દેહેય પુષ્ટિ બહુ બતાવે, મન પણ પુષ્ટિ બતાવે. બુદ્ધિ એને હેલ્પ કરે. તમને એકલાને ફેંકી દે. પ્રશ્નકર્તા : પછી તો પોતાનું ચલણ ના રહે ને, દાદા ? મનનું સાંભળવા માંડ્યું ત્યાંથી પોતાનું ચલણ જ ગયું ને ? દાદાશ્રી : મનનું સંભળાય જ નહિ. પોતે આત્મા ચેતન, મન છે તે નિશ્ચેતન ચેતન, જેને બિલકુલ ચેતન છે નહીં. કહેવા માત્રનું, વ્યવહાર ખાતર જ ચેતન કહેવાય છે. એ તો ત્રણ દહાડા મન પાછળ પડ્યું હોય તો તમે તે ઘડીએ ‘ચાલ, હેંડ ત્યારે’ કહો ને ! તારે કોઈ દહાડો મન પાછળ પડેલું ? એવું કરવું પડેલું કશું ? પહેલા ના કહું, ના કહું, પછી મન બહુ પાછળ પડ પડ કરે એટલે કરે તું ? પ્રશ્નકર્તા : હા, બનેલું. દાદાશ્રી : એનું શું કારણ ? મન બહુ કહે કહે કરે એટલે પછી તે રૂપ થઈ જાય. એટલે ચેતતા રહેજો. તમારા (બ્રહ્મચર્યના) અભિપ્રાયને મન તમારું ખાઈ ના જવું જોઈએ. એ અભિપ્રાયમાં રહી અને જે જે કામ કરતું હોય તે આપણને એક્સેપ્ટ છે. તમારા સિદ્ધાંતને તોડતું ન જ હોવું જોઈએ. કારણ કે ‘તમે’ સ્વતંત્ર થયા છો, જ્ઞાન લઈને. પહેલાં તો મનના આધીન જ હતા ‘તમે.’ મન કા ચલતા તન ચલે જ હતું ને ! પ્રશ્નકર્તા : એટલે બ્રહ્મચર્યનો સિદ્ધાંત એ બહુ મોટી વસ્તુ અને અનિવાર્ય વસ્તુ છે. દાદાશ્રી : એટલી જ વસ્તુ ને ! ત્યારે મોટામાં મોટી વસ્તુ એ છે ને ! એ પુરુષાર્થ કરવા માટેની વસ્તુ છે. જય સચ્ચિદાનંદ |