જ્ઞાની પુરુષના ચરણે સમર્પણથી મોક્ષ

સંપાદકીય

‘બીજું કાંઈ શોધ મા ! માત્ર એક સત્ પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.’ - શ્રીમદ્ રાજચંદ્ર.

વીતરાગોએ કહ્યું છે, ‘મોક્ષ માટે કશું જ કરવા જેવું નથી. માત્ર જે પોતે છૂટ્યા છે તેવાને ખોળજો, પોતે તર્યા છે ને અનેકોને તારવાનું સામર્થ્ય જેનામાં છે, એવા તરણતારણ જ્ઞાની પુરુષને ખોળજો ને એમની પૂંઠે પૂંઠે નિર્ભય થઈને ચાલ્યા જજો. મોક્ષે જવું હોય તો સજીવન મૂર્તિની હાજરી વગર, એમને સમર્પણ થયા વગર, એમની આજ્ઞા પાળ્યા સિવાય કોઈ દહાડોય મોક્ષે નહીં જવાય.’

સાચા અર્થમાં સમર્પણ એટલે આપણી સર્વ ખોટી માન્યતાઓ જ્ઞાનીના ચરણે સમર્પી દઈએ. જેનાથી ભ્રાંતિ ઊભી થઈ એ ભ્રાંતિના કારણો, ભ્રાંતિ અને તે ભ્રાંતિનું ફળ એ બધું સમર્પણ થાય છે, એટલે પછી તમે શુદ્ધાત્મા થઈ જાવ છો. તમે એ રોંગ બિલીફો સમર્પણ કરો છો અને રાઈટ બિલીફ દાદાશ્રી આપે છે. મિથ્યા દર્શન ભેદીને સમ્યક્ દર્શનની પ્રાપ્તિ કરાવે છે.

સાદી ભાષામાં સમર્પણ એટલે આપણે જેને સમર્પણ થયા હોઈએ એના ઉપર સંપૂર્ણ વિશ્વાસ. એ જે કહે, જે કરે એમાં પોતાની બુદ્ધિ જરાય ન વાપરે અને પૂરી શ્રદ્ધા સાથે કહ્યા પ્રમાણે કરે એનું નામ સમર્પણ. સમર્પણ તો કોનું નામ કહેવાય કે પોતે મરી જઈને જીવવું એટલે એ ગમે તે કરે તોય પોતે ભેદ ના પાડે કે જુદા ના પડે.

પ્રસ્તુત અંકમાં પરમ પૂજ્ય દાદાશ્રી સમર્પણભાવ માટેની વિવિધ છણાવટ કરી વિશેષ ફોડ આપતા સમજાવે છે સમર્પણ એટલે શું, અનન્યભાવ એટલે શું, સમર્પણ કોને થવું, સમર્પણ થવા કયા લેવલ સુધી જવું પડે, સમર્પણ થતાં અટકાવતા બાધક કારણો જેમ કે સ્વચ્છંદ.

જ્ઞાની પુરુષ એટલે આખા વર્લ્ડની અજાયબી કહેવાય કે જે કોઈ ચીજના ભિખારી નથી, જ્યાં પરમાત્મા વ્યક્ત થયા છે. જેમના થકી આપણે પટંતર પામ્યા તેને સર્વસ્વ સમર્પણ કરે ને, તો કામ થઈ જાય. કોઈનીય છાયા ના પડે એવી દુનિયા તને બાજુએ મૂકતા આવડે તેનું નામ સમર્પણભાવ. એટલે જ્ઞાની પુરુષનું જે થાવ તે મારું થાવ. પોતાનો મછવો તેમનાથી છૂટો જ ના પડવા દે. આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી મોક્ષમાર્ગે આગળની શ્રેણીઓ ચઢવા મહાત્માઓને જ્ઞાની પ્રત્યેનો સમર્પણભાવ સમજીને સંપૂર્ણ કેળવાય એવી હૃદયપૂર્વક અભ્યર્થના.

જય સચ્ચિદાનંદ.

(પા.૪)

જ્ઞાની પુરુષના ચરણે સમર્પણથી મોક્ષ

સાચો સુખી થવાનો માર્ગ જ સમર્પણ

પ્રશ્નકર્તા : ભગવાનને બધું સમર્પણ કરીને રહેવું એ સાચો ને સુખી થવાનો માર્ગ છે ને ?

દાદાશ્રી : હા, પણ ભગવાનને સમર્પણ કરીને કોઈ રહેલો જ નહીં આ દુનિયામાં ! મોઢે બોલે ખરા કે ભગવાનને સમર્પણ ! પણ બધાએ વહુને સમર્પણ કરેલું. વ્યવહારમાં બોલે કે ભગવાનને સમર્પણ કરેલું છે. ભક્તિ કરે ત્યારે ભગવાનને સમર્પણ બોલે; પણ ભગવાનને સમર્પણ કરેલું હોય તો એને દુઃખ જ શું હોય ?

પ્રશ્નકર્તા : સાચા ગુરુને પોતાનું સર્વસ્વ સોંપી દેવું, તેનાથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. વ્યવહારમાં એ કેટલે અંશે સત્ય છે ?

દાદાશ્રી : આ તો વ્યવહારમાં તદ્દન સાચું છે. ગુરુને સોંપે તો એક અવતાર એનો સીધો જાય. કારણ કે ગુરુને સોંપ્યું એટલે ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલ્યો, તે પોતાને દુઃખ આવે નહીં.

ગુરુ વગર કોઇ મોક્ષે ગયેલો નહીં. એક એકલા તીર્થંકર કે જે સ્વયંબુદ્ધ થયેલા તે ગયેલા. પણ તેમને આગલા કોઇ અવતારમાં ગુરુ મળેલા. તેમનાથી તેમને જ્ઞાનાંજન અંજઇ ગયેલા, તેથી તેમને વાંધો નહીં આવેલો. પણ બીજો તો ગુરુ વગર માર ખાઇ જાય. માથે કોઇ હોય નહીં તો સ્વચ્છંદ ઊભો થાય.

ફેર, ગુરુ ને સદ્ગુરુમાં

પ્રશ્નકર્તા : હું ઘણી જગ્યાએ ફર્યો અને બધે મેં પ્રશ્ન કર્યો કે ગુરુ એટલે શું ? પણ મને કંઈ સંતોષકારક જવાબ નથી મળ્યો.

દાદાશ્રી : બરાબર છે. ગુરુ એને કહેવાય કે જોતાની સાથે આપણું મસ્તક નમી જાય અને સદ્ગુરુ કોને કહેવાય કે જેમને મન-વચન-કાયાનું સમર્પણ કરાય. ગુરુ ને સદ્ગુરુમાં આ ફેર. સદ્ગુરુ જ્ઞાની પુરુષ હોય, જેને સત્નો અનુભવ હોય. હવે બીજા ગુરુ છે તે આપણે ફોલોઅર્સ (શિષ્ય) કહેવાઈએ એના. એ આગળ ચાલે ને આપણને આગળ રસ્તો દેખાડતા જાય. એ ભોમિયા કહેવાય. એટલે ગુરુ સામે આપણું મસ્તક નમે એવું જોઈએ. એમને દેખતા મસ્તક ના નમે તો કામનું શું તે ?

સત્પુરુષ ચરણે સર્વભાવ અર્પણ

પ્રશ્નકર્તા : શ્રીમદ્જી કહે છે કે ‘સદ્ગુરુને ચરણે ચાલ્યો જા, નવમે ભવે મોક્ષ મળશે’, એ શું કહેવા માગે છે ?

દાદાશ્રી : સદ્ગુરુ ખોળવા મુશ્કેલ છે ને ! એ સદ્ગુરુ તો મળે એવા છે નહીં. એ સહેલી ચીજ નથી. સદ્ગુરુ જ્ઞાની હોવા જોઈએ. જ્ઞાની ના હોય એવા ગુરુ હોય, પણ તે પૂરેપૂરું સમજે નહીં. અને જ્ઞાની તો સંપૂર્ણ સમજાવે તમને, બધી જ હકીકત સમજાવે. કોઈ ચીજ જાણવાની બાકી ના હોય એનું નામ જ્ઞાની ! જૈન એકલાનું જ જાણે છે એવું નહીં, બધું જ જાણે છે એનું નામ જ્ઞાની ! અને એમને મળે તો નવમે ભવે મોક્ષ થાય, બે અવતારમાંય મોક્ષ થાય.

પણ સદ્ગુરુ મળવા મુશ્કેલ છે ને ! અત્યારે તો સાચા ગુરુ જ નથી, ત્યાં સદ્ગુરુ ક્યાંથી હોય તે ? અને શ્રીમદ્ રાજચંદ્ર જેવા સદ્ગુરુ હતા ત્યારે લોકો એમને ઓળખી શક્યા નહીં.

આ બધા ગુરુઓ તો છે, પણ સદ્ગુરુ કોને કહેવાય ? પ્રભુશ્રી લઘુરાજ સ્વામી-શ્રીમદ્ રાજચંદ્રના શિષ્યને સદ્ગુરુ કહેવાય. જેનામાં સ્વચ્છંદનો એક અંશ પણ ન હતો. એમનું બધું જ કૃપાળુદેવને

(પા.૫)

આધીન હતું; કૃપાળુદેવ હાજર હોય કે ના હોય છતાંય તેમને જ આધીન. એ સાચા પુરુષ હતા.

મોક્ષના ગેરેન્ટર

એટલા માટે જ કૃપાળુદેવે કહ્યું, ‘બીજું કાંઈ શોધ મા.....!’ હવે કૃપાળુદેવ આટલું જ વાક્ય, એમના ગયા પછી મોક્ષના આરાધન માટે બોલ્યા છે. બીજું બધું તો લોકોને પત્રો લખ્યા હતા, તે પત્રો બધા ભેગા કરેલા છે. એ વાંચન માટે સારું છે. પણ કૃપાળુદેવે કાઠિયાવાડી ભાષામાં શું કહ્યું કે ‘બીજું કાંઈ શોધ મા ! માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.’

મોક્ષ હું આપી દઈશ, બીજી વગર કામની માથાફોડ શું કરવા કરે છે એવી ગેરંટી આપનાર માણસો નીકળ્યા આ અવસર્પિણી કાળમાં ? આ અવસર્પિણી કાળ છે, એમાં ગેરન્ટી આપનારા કેટલા પુરુષો થઈ ગયા અત્યાર સુધીમાં ? આ એકલા જ ! કે જો મોક્ષ ના મળે તો મારી પાસે આવજે. જો કૃપાળુદેવે આમાં કેટલો બધો રસ્તો દેખાડ્યો છે !

કૃપાળુદેવનો સાચો ભક્ત કોણ કહેવાય ? કે આટલું જ એને યાદ રહે કે ‘બીજું કાંઈ શોધ મા...!’

તીર્થંકરોનો આશય આટલો જ

માટે જો તારે મોક્ષે જવું છે તો સજીવન મૂર્તિ ખોળી કાઢ, કારણ કે સજીવન મૂર્તિ સિવાય કોઈ દહાડોય સ્વચ્છંદ ના જાય. આ એક જ સજીવન મૂર્તિની કિંમત !

પ્રશ્નકર્તા : સજીવન મૂર્તિનો અર્થ સમજમાં બેઠો નથી.

દાદાશ્રી : સજીવન મૂર્તિ એટલે પ્રત્યક્ષ આંખે દેખાય, આપણને ટૈડકાવે, ભૂલ થતી હોય તો બે શબ્દ બોલે. અને કૃપાળુદેવ તો ગયા, એ આજ તમારી ભૂલ નહીં ભાંગે. માટે સજીવન મૂર્તિ ખોળજો, એવું કહ્યું ને !

સ્વચ્છંદ ગયાની નિશાની શું ? સમ્યક્ત્વ. જ્યાં સુધી સમ્યક્ત્વ ના થાય, ત્યાં સુધી સ્વચ્છંદ જ હોય. એટલે જ્યાં સુધી સમ્યક્ત્વ ના થાય ત્યાં સુધી કોઈ પણ સમકિત જીવના તાબામાં રહો એવો ભગવાનનો, ચોવીસ તીર્થંકરોનો આશય છે. એને પ્રત્યક્ષ જોઈશે, પ્રત્યક્ષ આજ્ઞા જોઈએ. પરોક્ષ આજ્ઞા ના ચાલે. કારણ આજ્ઞા મહાવીર ભગવાનની છે, પણ તારી સમજણે ચાલે છે ને ? એટલે સમજણનો જ ડખો છે ને ? બધો ડખો જ સમજણનો છે, એનાથી બધું પોઈઝનસ (ઝેરી) થઈ જાય. માટે પ્રત્યક્ષ હોય તો જ વળે. મોક્ષનું સાધન પ્રત્યક્ષપણું જોઈશે. પ્રત્યક્ષ હોય તો સ્વચ્છંદ રોકાશે.

પ્રત્યક્ષ જ્ઞાનીને સમર્પણ

પ્રશ્નકર્તા : પ્રત્યક્ષ સદ્ગુરુની ભક્તિ એકલી જ હોવી જોઈએ, એ જ કહેવા માગો છો ને ?

દાદાશ્રી : અર્પણતા જોઈએ બધી.

પ્રશ્નકર્તા : સદ્ગુરુ પ્રત્યે પૂરેપૂરા સમર્પણ-ભાવથી રહે તો ?

દાદાશ્રી : તો કામ થઈ જાય. સમર્પણભાવ હોય તો બધું કામ થઈ જાય. પછી કશું બાકી રહે જ નહીં. પણ મન-વચન-કાયાનું સમર્પણ જોઈએ.

પ્રશ્નકર્તા : સમર્પણ એટલે શું ?

દાદાશ્રી : સમર્પણ એટલે તમે શું કહેવા માંગો છો ?

પ્રશ્નકર્તા : સમર્પણ એટલે બધું આપી દેવું, એવું માનું છું.

(પા.૬)

દાદાશ્રી : હા, બધું અર્પણ કરી દેવું. મન-વચન-કાયા ત્રણેય પોટલા તમને અર્પણ કરી દઉં છું. પછી જ્ઞાની પુરુષ શું કરે, કે ભઈ, હું ક્યાં સંઘરું ? તારે જોઈતું હોય તેટલું વાપરજે અને બીજું મને પૂછીને વાપરજે. શું કહ્યું ?

પ્રશ્નકર્તા : મને પૂછીને વાપરજે.

દાદાશ્રી : એટલે અમે તમને પાછા આપીએ એનો અર્થ એવો નહીં કે તમારે એમ ને એમ ફાવે એટલા વાપરવા. તમારે મને પૂછીને વાપરવા જોઈએ, આ મન-વચન-કાયાને, શું ? આ પૂછીને નહીં વાપરવું જોઈએ અર્પણ કર્યા પછી ?

પ્રશ્નકર્તા : મન-વચન-કાયાનું આપ જે સમર્પણ કહો છો, એ કહેવું સહેલું છે પણ કરવું એટલું સહેલું નથી.

દાદાશ્રી : ના, કરાય નહીં, અત્યારે કરાય એવું છે નહીં. એ તો અમે કરાવી આપીએ, પછી ગાડું રાગે પડી જાય.

સમર્પણતા ના આવે ત્યાં સુધી કષાય ઊભા

પ્રશ્નકર્તા : ગુરુદેવ પર જો સમર્પણભાવ આવ્યો હોય તો તમે કહો છો તે બરોબર છે, પણ સમર્પણભાવ જો ન આવ્યો હોય તો તો આ બધી વસ્તુઓ બનવાની જ છે ને એની અસર થવાની જ છે, કષાયો ઊભા થવાના જ છે.

દાદાશ્રી : હં, એ તો થાય જ ને ! સમર્પણ ના આવે ત્યાં સુધી થયા જ કરવાનું ને ! એટલે આ બધાને અમે જ્ઞાન આપી દીધું કે એમને ભવિષ્યમાં ચિંતા ના થાય થોડીકેય. ભય ના રહે કોઈ પણ પ્રકારનો કે આમ થઈ જશે તો ? એવા જ્ઞાનની જરૂર ખરી કે નહીં ?

પ્રશ્નકર્તા : ખરી.

દાદાશ્રી : ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો ભય ના લાગે, ઈર્ષા ના થાય. ચિંતા રહિત, ભય રહિત બનાવે એવા જ્ઞાનની જરૂર ખરી કે નહીં ? તો પછી માણસ પોતાનો ધર્મ કરે કે ના કરે ?

પ્રશ્નકર્તા : ધર્મ કરવાની જરૂરત જ ક્યાં રહી ? અંદરથી પ્રેરણા આવ્યા કરશે. જ્ઞાન મળ્યા પછી આજ્ઞામાં રહે એટલે અંદરથી પ્રેરણા આવ્યા કરે, પછી ચિંતા રહે જ નહીં.

દાદાશ્રી : આ વિજ્ઞાન જ એવું છે કે ચિંતા ના થાય એવું, સંસારમાં રહેવા છતાં બૈરી-છોકરાં સાથે.

અહંકાર કાઢવાની દવા એટલે શરણાગતિ

પ્રશ્નકર્તા : ગુરુની બિનશરતી શરણાગતિનો સ્વીકાર કર્યો ક્યારે કહેવાય ?

દાદાશ્રી : શરણાગતિનો સ્વીકાર કર્યો ક્યારે કહેવાય કે આપણને આમ ચિંતા ના હોય, ક્લેશ ના હોય, ત્યારે શરણાગતિનો સ્વીકાર કર્યો કહેવાય. કોઈ પણ સંજોગોમાં ચિંતા ના થાય, ક્લેશ ના થાય. અંતર ક્લેશ બિલકુલ ના થાય.

પ્રશ્નકર્તા : શરણાગતિની ભાવના છે, એનું સાધનામાં કંઈ મહત્વ ખરું કે નહીં ?

દાદાશ્રી : એનું મહત્વ એટલું જ કે શરણાગતિ સિવાય અહંકાર જાય નહીં. અહંકાર કાઢવાની દવા એટલે શરણાગતિ. પણ કોની શરણાગતિ ? જેનો અહંકાર ગયેલો હોય ત્યાં, પછી ગમે ત્યાં મૂંડાઈએ એમ ચાલે નહીં.

અહંકાર લઈ લે એ વિરાટ પુરુષ

પ્રશ્નકર્તા : અહંકાર તો જે વ્યક્તિનો ગયો હોય, એ જ વ્યક્તિ કાઢી શકે ને ? બીજું કોણ કાઢી શકે?

દાદાશ્રી : બીજાનો અહંકાર લઈ લે એનું નામ વિરાટ પુરુષ કહેવાય.

(પા.૭)

પ્રશ્નકર્તા : વિરાટનું દર્શન થાય એટલે અહંકાર જાય ?

દાદાશ્રી : અહંકાર જાય તો જ વિરાટ સ્વરૂપના દર્શન થયા કહેવાય ને !

પ્રશ્નકર્તા : વિરાટનું દર્શન થવું એટલે જ્ઞાન થવું ?

દાદાશ્રી : વિરાટનું દર્શન એટલે જ્ઞાની પુરુષને ઓળખવા. ખરી રીતે વિરાટ કોને કહેવાય કે જે આપણા અહંકારને પણ ખાઈ જાય. આપણા અહંકારનેય ભક્ષણ કરી જાય, એનું નામ વિરાટ ! અને તેનું ફળ શું આવે ? આપણને વિરાટ બનાવે. વિરાટ સ્વરૂપ વગર કોઈ નમે જ નહીં ને ! એવું કૃષ્ણ ભગવાને અર્જુનને વિરાટ સ્વરૂપ બતાડ્યું ત્યારે નમેલો ને, નહીં તો નમે નહીં.

લાખો અવતારેય આ અહંકાર જાય એવી વસ્તુ નથી. ત્યારે એક જણ મને કહે છે, ‘તમે અહંકાર તો મારો લઈ લીધો !’ ત્યારે એ જ વિરાટ પુરુષ ! ત્યાં પુસ્તકોનો વિરાટ પુરુષ ખોળવા જાવ છો ? જે આપણો અહંકાર લઈ લે, એ વિરાટ પુરુષ; બીજો વિરાટ પુરુષ દુનિયામાં કેવો હોય?

વિરાટ સ્વરૂપ કોનું નામ કહેવાય કે જેનામાં સહેજ પણ બુદ્ધિ ના હોય, છાંટોય બુદ્ધિ ના હોય. આમ ગોદા મારી મારીને અહંકાર જ કાઢી નાખે, જેમ ટાયરમાંથી હવા જ કાઢી નાખે. એટલે જેનો અહંકાર સંપૂર્ણ ગયેલો હોય, તે જ લઈ શકે. જેનો પોતાનો અહંકાર ખલાસ થયો એ આત્મજ્ઞાની. બીજાનો અહંકાર જે લઈ લે એ વિરાટ પુરુષ!

પ્રત્યક્ષ વગર નથી કલ્યાણ

પ્રશ્નકર્તા : એવું સમર્પણ તો કૃષ્ણ ભગવાન કે મહાવીર ભગવાનની કક્ષાના હોય તો જ એ સમર્થ કહેવાય ને કે પછી ગમે તે સાધારણને કરીએ તોય ચાલે ?

દાદાશ્રી : એ તો તમને આમ વિરાટ પુરુષ લાગે તો કરવું. તમને લાગે કે આ મહાન પુરુષ છે અને એમનાં કાર્યો બધાં એવાં વિરાટ લાગે, તો આપણે એમને સમર્પણ કરવું.

પ્રશ્નકર્તા : જે મહાન પુરુષો થઈ ગયા છે, હજારો વર્ષ પૂર્વે થઈ ગયેલા છે, એમને આપણે સમર્પણ કરીએ, તો એ સમર્પણ કરેલું કહેવાય? એનાથી આપણો વિકાસ થાય ખરો કે પ્રત્યક્ષ મહાપુરુષ જ જોઈએ ?

દાદાશ્રી : પરોક્ષથી પણ વિકાસ થાય અને પ્રત્યક્ષ મળે તો તો તરત કલ્યાણ જ થઈ જાય. પરોક્ષ વિકાસનું ફળ આપે અને પ્રત્યક્ષ વગરકલ્યાણ નથી. એમને સમર્પણ કર્યા પછી આપણે કશું કરવાનું ના હોય. બાળક આપણે ત્યાં જન્મ્યો એટલે બાળકને કશું કરવાનું ના હોય, એમ સમર્પણ કર્યા પછી આપણે કશું કરવાનું ના હોય.

તારણહારનો માર્ગ હોય પ્રેમનો

પ્રશ્નકર્તા : મારે કશું નહીં કરવાનું ને ?

દાદાશ્રી : તમારે શું કરવાનું ? તમે કરી કરીને આ કર્યું ! એ જ્ઞાની પુરુષ કરી આપે. ડૂબતો માણસ એમ કહે, મારે શું કરવાનું ? હું તરું ? અલ્યા ભાઈ, તને તારે તો તર, નહીં તો તું તો ડૂબી મરવાનો જ છે. તારનારો જોઈશે, તારણહાર જોઈશે. કોણ જોઈશે ? ડૂબતો માણસ એમ કહે કે ‘હું શું કરું?’ એવું કહે ? ‘અલ્યા, ડૂબું છું, વળી હવે તર ને,’ આપણે કહીએ. ત્યારે એ કહે, ‘ના, મારાથી તો ડૂબી જવાય છે.’ એટલે જો તારણહાર મળી આવે, તારનારો, તો બચી જવાય અને તરવું ના હોય, જેને તરવાનું ના ગમતું હોય, ડૂબવાનું ગમતું હોય તો ડૂબી જવું. ડૂબવાનું તો સહેલું હોય છે. આપણને શું ગમે તેના ઉપર આધાર છે.

(પા.૮)

પ્રશ્નકર્તા : આપણને તો તરવાનું જ ગમે ને ?

દાદાશ્રી : શાથી તરવાનું ગમે ?

પ્રશ્નકર્તા : કેમ ? બધાને, સામાન્ય મનુષ્યને, કોઈ પણ મનુષ્યને તરવાનું જ ગમેને.

દાદાશ્રી : તો પછી તપાસ કરવી કે કોઈ તારનાર છે ? જેમ આ નદીઓમાં તારો(તારનારો) મળી આવે છે ને ? એવો આમાંય પણ તારનાર હોય તો આપણું તારણ થાય. હવે તારણહાર હોય ત્યાં આગળ કાયદો-બાયદો ના હોય, ત્યાં ફી ના હોય. તારણહાર હોય અને ફી લેતો હોય એને આપણે કહીએ કે ‘ના બા, આવા તારણહારનું મારે કામ નથી.’ કોઈ કહે કે ‘ભઈ, સો રૂપિયા ફી ભરો અને એ તમને તારશે.’ ત્યારે કહે, ‘ફી ભરાવે છે, માટે એ તારવાનો નથી, એ ડૂબાડશે.’

જ્યાં પ્રેમ ના દેખાય, ત્યાં મોક્ષનો માર્ગ જ નથી. જ્યાં ફી હોય, ત્યાં પ્રેમ ના હોય.

તારણહારનો માર્ગ પ્રેમનો છે. ભગવાન જોડે પ્રેમનો માર્ગ છે. અને તારણહારો તો પોતે જ ભગવાન થઈને બેઠા છે, પોતે તરીને બેઠા છે. તેઓ મોક્ષનું દાન આપવા આવ્યા છે.

તમે જેને બુદ્ધિ સમર્પણ કરો, તેનામાં જે તાકાત હોય એ તમને પ્રાપ્ત થઈ જાય. સમર્પણ કર્યું એનું બધું આપણને પ્રાપ્ત થાય. જેમ એક ટાંકી જોડે બીજી ટાંકીને પાઈપથી જરા જોઈન્ટ કરીએ ને, તો એક ટાંકીમાં ગમે એટલો માલ ભરેલો હોય, પણ બીજી ટાંકીમાં લેવલ પકડી લે. એ સમર્પણ ભાવ એના જેવું કહેવાય.

જીવંત વિરાટ પુરુષને જ સમર્પણ

પ્રશ્નકર્તા : તો જે સ્વરૂપને સમર્પણ કરીએ, એમના ગુણો આપણામાં આવે ખરા, સમર્પણથી ?

દાદાશ્રી : સમર્પણ જેને કરીએ ને, એના પછી આપણી જવાબદારી રહેતી નથી બહુ, પછી એમની જવાબદારી. એટલે પછી આપણે કહીએ, ‘સાહેબ, આટલું સમર્પણ કર્યું તોયે મારું કશું વળતું નથી !’ ત્યારે સાહેબ પૂછે, ‘તેં સમર્પણ કર્યું, અમે જે આજ્ઞા આપી છે તે પાળું છું કે નથી પાળતો ?’ ત્યારે એ કહે, ‘સાહેબ, આજ્ઞા તો મને સમજણ નથી પડી.’ ત્યારે કહે, ‘પહેલા સમજ અને પછી પાળ. તારું બધું કલ્યાણ થઈ જશે.’

પ્રશ્નકર્તા : તો એવું સમર્પણ તો જીવંત વ્યક્તિઓને જ થઈ શકે ને ?

દાદાશ્રી : હા, જીવંત વ્યક્તિઓને, બીજાને કરો એનો અર્થ નહીં. અને જીવંત વ્યક્તિઓમાંય, આ લીમડાના ઝાડને કરી આવો, એમાં ફાયદો થાય નહીં. કારણ કે એ તો પોતે સમજતો જ નથી. સમર્પણ જેને કરીએ છીએ તે જ પોતે સમજતો નથી. જેને સમર્પણ કરીએ છીએ, એ જવાબદારી લે કોણ ? સમજતો હોય તે લે. લીમડો લે ખરો ? ત્યાર પછી ગાયો-ભેંસો લે ખરી ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : ત્યારે ઘોડો-ગધેડો ? ત્યારે આ બધા સામાન્ય મનુષ્યો લે ખરા ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો જે તથારૂપ હોય તો જ એ લઈ શકે અને તેને સમર્પણ થઈ શકે. આપણને વિરાટ પુરુષ લાગે તો સમર્પણ કરવું, નહીં તો સમર્પણ કર્યાનો અર્થ નથી. સમર્પણ કોને કરવું ? જે આપણી ‘ઠેઠ’ સુધીની જવાબદારી લે તેને, જે તથારૂપ હોય તેને સમર્પણ કરવું.

જ્ઞાની સમર્પણે, અહમ્ શૂન્યતા

લાખ અવતાર નાગા (સંસાર ત્યાગી બાવા)

(પા.૯)

થાય તોય આ સંસારનો મોહ છૂટે એવો નથી. અહંકાર કોઈ દહાડો ઓગળે તેવો નથી. અહંકાર ફ્રેક્ચર થાય એવો નથી, મમતા જાય એવી નથી અને માયા તો આઘી ખસે જ નહીં. એક કેરી હોય ને, તોય રાત્રે સંતાડી રાખે. કહેશે, ‘સવારમાં ખાઈશ.’ જંગલમાં રહેતો હોય તોય માયા જોડે હોય ! એટલે આ તો આવો લિફ્ટ માર્ગ નીકળ્યો છે ! તમારું પુણ્ય છે તે અમે ભેગા થયા છીએ. આ તો સરળ માર્ગ છે ! એટલે ‘અહીં તમારું કામ કાઢી લો’, એટલું કહી છૂટીએ.

અક્રમ વિજ્ઞાન છે આ ! અક્રમ એટલે ત્યાગ-બ્યાગ કશો કરવાનો ના હોય. અહીં અર્પણ જ કરી દેવાનું, એટલે બસ થઈ ગયું ! સમર્પણથી જ મોક્ષ.

પ્રશ્નકર્તા : આ અક્રમ માર્ગમાં, ઈગોઈઝમ જે છે, એ જ્ઞાની પુરુષને સરેન્ડર (સમર્પણ) કરો તો જ ઈગોઈઝમ જાય ને ?

દાદાશ્રી : એ તો સેકન્ડરી સ્ટેજ (બીજો તબક્કો) થયું. પણ જ્ઞાની પુરુષ જે પહેલાં થાય, એમણે કોને સરેન્ડર કરવાનું ? જ્ઞાની પુરુષને જ્ઞાનથી આ ઈગોઈઝમ બધો ઊડી જાય. જ્ઞાન થતાંની સાથે જ ઈગોઈઝમ ઊડી જાય. અમારે બહુ ઈગોઈઝમ હતો, ૧૯૫૮ પહેલાં ઘણો ઈગોઈઝમ હતો પણ જ્ઞાન થતાંની સાથે જ ઈગોઈઝમ બધો સાફ થઈ ગયો.

હવે અહીં તમે બધું સમર્પણ કરો એટલે ઈગોઈઝમ જાય. આ જ્ઞાન પછી તમને પણ ડિપ્રેશન કે એલિવેશન ના થાય. અને કોઈ ટૈડકાવે કે જેલમાં ઘાલી દે તોય ડિપ્રેશન આવે નહીં, એનું નામ વિજ્ઞાન કહેવાય. આ વૈજ્ઞાનિક રસ્તો છે.

જ્ઞાની ચરણે અહંકારની મુક્તિ

પ્રશ્નકર્તા : આ માર્ગે જવા માટે જ્ઞાનીના ચરણે બેસવું, એ રાહ છે?

દાદાશ્રી : જ્ઞાની પોતે મુક્ત છે, માટે આપણને તે મુક્ત કરી શકે. સંસારની કોઈ ચીજમાં એ ના રહે, માટે આપણને એ સર્વ રીતે મુક્ત કરી શકે. જેને ભજીએ તે રૂપ થઈએ.

જ્યાં અહંકાર ના હોય, ત્યાં આગળ તમે બેસી રહો તો તમારો અહંકાર જાય. અત્યારે તમારા મનમાં એમ છે કે લાવ, દાદાની પાસે બેસી રહું. પણ પાછલા જે સંસ્કારો છે, ‘ડિસ્ચાર્જ’ સંસ્કારો છે, તેનો ઉકેલ તો લાવવો પડશે ને ? એનો ઉકેલ આવતો જશે તેમ આ પ્રાપ્તિ થતી જશે. ભાવના તો એ જ રાખવી કે નિરંતર જ્ઞાનીના ચરણમાં જ રહેવું છે. પછી સર્વ મુક્તિ થાય, અહંકારની મુક્તિ થઈ જાય!

જ્ઞાની પુરુષને હાથ જોડ્યા એનો અર્થ એ કે વ્યવહાર અહંકાર શુદ્ધ કર્યો. અને અંગુઠે મસ્તક અડાડીને સાચાં દર્શન કર્યાં એનો અર્થ અહંકાર અર્પણ કર્યો કહેવાય. જેટલો અહંકાર અર્પણ થાય તેટલું કામ નીકળી જાય.

સમર્પણ કોનું નામ ?

પ્રશ્નકર્તા : સમર્પણની ભાવના ઉત્પન્ન કરવા શું કરવું ?

દાદાશ્રી : સમર્પણની ભાવના ઉત્પન્ન થવા માટે કયા કયા પ્લેટફોર્મ પર જવું પડે, એ પહેલું જાણવું જોઈએ. કયા પ્લેટફોર્મ ઉપર સમર્પણ થઈ શકે છે ? અબજો રૂપિયા જેને દુઃખદાયી લાગતા હોય, સુંદર-સુંદર સ્ત્રીઓ પણ દુઃખદાયી લાગતી હોય, છોકરાં સુંદર પણ દુઃખદાયી લાગતા હોય, બંગલા સુંદર પણ દુઃખદાયી, ગાડીઓ, મોટરો બધું દુઃખદાયી લાગે, તેને માટે એ પ્લેટફોર્મ છે. એને ભગવાને સમર્પણ કહ્યું છે.

પ્રશ્નકર્તા : સમર્પણ કોનું નામ કહેવાય ?

દાદાશ્રી : શ્રીખંડ ખાવાનો ખરો પણ ટેસ્ટ

(પા.૯)

(સ્વાદ) લેવાનો નહીં, એનું નામ સમર્પણ. એ શ્રીખંડ કરેલો મને સમર્પણ કર્યો એ તમારે ખાવાનો પણ એમાં ટેસ્ટ લેવાનો નહીં. તે શ્રીખંડ એવું નથી કહેતો કે તમે ટેસ્ટ લો જ.

પ્રશ્નકર્તા : હા !

દાદાશ્રી : ટેસ્ટ ના લેવો હોય તો ના લો અને ટેસ્ટ લેવો હોય તો લો. જેવો લેવો હોય તે લો.

પ્રશ્નકર્તા : દાદા, આપણે શ્રીખંડનો ટેસ્ટ લઈએ એટલે પછી એનું ‘પેમેન્ટેય’ (ચુકવણી) કરવું પડે ને ?

દાદાશ્રી : લેવાય નહીં ખરી રીતે. સમર્પણ કર્યા પછી લેવાય નહીં, અને લો તો માર ખાવો પડે પછી. બાકી શ્રીખંડ ના નડે. સમર્પણ કર્યું પછી શ્રીખંડ નડે નહીં, ટેસ્ટ લો તો એ નડે.

પ્રશ્નકર્તા : સમર્પણ ક્યારે કહેવાય ?

દાદાશ્રી : સમર્પણ એટલે એમના કહ્યા પ્રમાણે તો કરવું પડે ને ? પરેજી પાળવાની, બીજું કશું કરવાનું ના હોય. સમર્પણનો જ આ માર્ગ છે. કહ્યું હોય કે ભાઈ, આટલી પરેજી પાળજો, એટલું કરવું.

જ્ઞાનપૂર્વક સમર્પણ એ જ ભક્તિ

પ્રશ્નકર્તા : આત્મસાક્ષાત્કારમાં ભક્તિ કે યોગ, એનું કંઈ મહત્વ ખરું ?

દાદાશ્રી : જ્ઞાન સિવાય ભક્તિ હોય નહીં. જગતના લોક જેને ભક્તિ કહે છે, એ ભજન છે બધા. એ ભક્તિ નથી. પહેલું જ્ઞાન અને જ્ઞાનના ઈશારાથી ભક્તિ છે. એટલે આપણા લોકો લૌકિકમાં ખેંચી લાવે છે ભક્તિને. ભક્તિ હંમેશાં જ્ઞાન વગર હોય નહીં. ભક્તિ તે રૂપ બનાવે. જેની ભક્તિ કરો ને, તેને તે રૂપ બનાવે. આ દાદાની ભક્તિ કરો તમે, તે રૂપ થતા જ જાવ. ભક્તિ તો બહુ ઊંચામાં ઊંચી વસ્તુ છે. પણ લોકોને સમજણ નથી ને, અને ભજનને જ ભક્તિ કહેવા માંડ્યા. અરે, છબલિકાં વગાડે તોય ભક્તિ કહે. છબલિકાં વગાડે તો ભક્તિ કહે કે ના કહે ? એને ભક્તિ કહે છે. એ ખરો અર્થ નથી, એનો મીનિંગ (અર્થ) શું ? એના મૂળ અર્થને પામવું હોય તો જ્ઞાન થયા પછી ભક્તિ સાચી હોય છે. અજ્ઞાનની ભક્તિ કેવી હોય ?

પ્રશ્નકર્તા : ગીતામાં એવું કહ્યું છે કે ભક્તને સહજ જ્ઞાન થઈ જાય.

દાદાશ્રી : હા. ભક્તોને સહજ જ્ઞાન થઈ જાય, પણ ભક્ત કોને કહેવો એ આપણે સમજવા જેવું છે.

આ જગતના લોકોને આપણે ભક્ત કહીએ છીએ, એ ભક્ત જ ન્હોય. જ્ઞાન થયા પછી જ ભક્ત હોય. કંઈક જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાન થયા પછી નહીં. સંપૂર્ણ જ્ઞાન થયા પછી જ્ઞાની હોય, પણ કંઈક અંશે જ્ઞાન પ્રાપ્ત થયું હોય ત્યારથી ભક્તિ એની હોય.

પ્રશ્નકર્તા : એટલે જ્ઞાનપૂર્વકના સમર્પણને ભક્તિ કહેવામાં આવે છે ?

દાદાશ્રી : હા, જ્ઞાનપૂર્વકના સમર્પણને. જ્ઞાનપૂર્વકનું સમર્પણ બહુ ઊંચી ભક્તિ કહેવાય છે. અને અજ્ઞાનપૂર્વકેય સમર્પણ કર્યું હોય તોયે ભક્તિ કહેવાય છે. સમર્પણ એ જ ભક્તિ છે.

સમર્પણનો યથાર્થ અર્થ

પ્રશ્નકર્તા : દાદાને આપણે જે સમર્પણ કરીએ છીએ, એ સમર્પણનો અર્થ શું ?

દાદાશ્રી : સમર્પણનો અર્થ એ છે કે આ ખોટી માન્યતાઓ આપી દઈએ છીએ કે આ અત્યાર સુધીની ખોટી માન્યતા આપી દઉં છું અને મને સાચી માન્યતા આપો.

(પા.૧૧)

પ્રશ્નકર્તા : એમ નહીં, એ તો સમર્પણનો સાદો અર્થ તો બધા જાણતા જ હોય છે. સમર્પણ અહીં આપણે ત્યાં મહાત્માઓ કરે છે, એ જે કંઈ આપને સમર્પણ કરે છે એ પરમેનન્ટ (કાયમી) હોવું જોઈએ. પછી આપ એમને કહો છો કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ. તમે જેને માનતા હોય એને માનો, મને કોઈ વાંધો નથી. તો એવું કેમ ?

દાદાશ્રી : એવું અમે છૂટ આપીએ તો વાંધો નહીં ને ! અમે તમને કહીએ.

પ્રશ્નકર્તા : તો એ સામી વ્યક્તિનું સમર્પણ ક્યાં થયું?

દાદાશ્રી : ના, એ થઈ ગયું તેથી તો અમે છૂટ આપીએ છીએ. બીજી જગ્યાએ છૂટ ના આપે. બીજી જગ્યાએ તો બાંધી-કરીને કચડે. અહીં તો તમને છૂટ આપીએ. કારણ કે આટલા દુઃખી કાળમાં લોકોને બાંધવા, જાનવરની પેઠ, એનો અર્થ શું ?

તમે સમર્પણ શું કરો છો મને ? તમારી જેનાથી બધી ભ્રાંતિ ઊભી થઈ’તી એ ભ્રાંતિના કારણો, ભ્રાંતિ અને ભ્રાંતિનું ફળ એ બધું મને તમે સમર્પણ કરો છો, એટલે તમે શુદ્ધાત્મા થઈ જાવ છો.

એ મહીં આ જે આપણું ન હતું એને માની લીધું હતું, તે બધું સમર્પણ કરી દેવું જોઈએ ને ? એ રોંગ બિલીફો સમર્પણ કરો છો અને રાઈટ બિલીફો હું તમને આપું છું. રોંગ બિલીફો એટલે મિથ્યાદર્શન અને રાઈટ બિલીફ એટલે સમ્યક્દર્શન.

અહીં અર્પણ કરવાનું ભગવાનને

પ્રશ્નકર્તા : આ જ્ઞાન લેતા પહેલા જે અર્પણ વિધિ કરાવીએ છીએ ને, એક્ચુઅલી (ખરેખર) એ ખોટું કહેવાય, કારણ કે પહેલા ગુરુને અર્પણ વિધિ કરી દીધી હોય, પછી ફરીથી અર્પણ વિધિ કરીએ. એ આપણી પાસે હોય ને એ કરીએ એ બરાબર ના કહેવાય ને ?

દાદાશ્રી : અર્પણ વિધિ કોઈ કરાવડાવે જ નહીં ને ! અર્પણ વિધિ તો ગુરુ કરાવે નહીં. જ્યાં સુધી ગુરુનો અહંકાર છે ને, ત્યાં સુધી કોઈની અર્પણ વિધિ લેવાય નહીં. એ નમસ્કાર કરે, ‘હું તમારો શિષ્ય થયો’ કહે, તો થોડું અર્પણ થાય. આ તો શું શું અર્પણ કરવાનું ? આત્મા સિવાય બધુંય. એટલે બધું અર્પણ કોઈ કરે જ નહીં ને ! અર્પણ થાયે નહીં. અને કોઈ ગુરુ એ કહે નહીં, કારણ કે એય અહંકારી હોય ને બિચારો ! એ તો તમને માર્ગ દેખાડે. એ ગાઈડ (માર્ગદર્શક) તરીકે કામ કરે. અને અમે તો ગુરુ નહીં, અમે તો જ્ઞાની પુરુષ. આ તો મને અર્પણ નહીં કરવાનું, આ તો ભગવાનને અર્પણ કરવાનું છે.

હાર્ટિલી વર્તે એનું સર્વ સમર્પિત જ

પ્રશ્નકર્તા : તમને કેવી રીતે સર્વ સમર્પિત કરી શકાય?

દાદાશ્રી : અમને તો હાર્ટિલી વર્તો એટલે અમે જાણીએ કે સર્વ અર્પણ-સમર્પણ અમને કર્યું જ છે. ભેદ ના રાખો વચ્ચે, વચ્ચે પડદો ના રાખો તો અમે જાણીએ કે તમે સમર્પિત કરેલું જ છે. અમારાથી ભેદ ના રાખો એટલે મારા પર ભાવ રાખો બનતા સુધી. મને સમર્પિત જ કરેલું હોય છે બધાએ. જે ખરા માણસ હોય એ સમર્પિત કરીને જ વર્તે છે. એટલે એ શીખી જ ગયેલા હોય છે ઊલટા.

સમર્પણ કોનું નામ કહેવાય કે પોતે (આત્મભાવે જીવી દેહભાવે) મરી જવું. એટલે ગમે તે કરે તોય જુદો ના પડે ! અને તમને છંછેડો તો ? જુદા ના પડો પણ જુદું બોલી જાવ ખરા. સમર્પણ વિધિ એટલે શું કે પોતાનું અસ્તિત્વ જ નહીં. મન-વચન-કાયા એમની પાસે રહે.

(પા.૧૨)

પ્રશ્નકર્તા : જ્ઞાની પાસે જીવતા મરી જવું તે સમર્પણ ?

દાદાશ્રી : હા, જ્ઞાની પાસે ‘હુંપણું’ જુદું નહીં, જુદાઈ વર્તે નહીં.

છે ‘નિમિત્ત’, છતાં ‘સર્વસ્વ’ જ

પ્રશ્નકર્તા : જે દાદાના ચરણમાં સમર્પણ થયા તેને આત્મા પ્રાપ્ત થઈ જ જાય ને ?

દાદાશ્રી : હા, એ તો કામ જ નીકળી જાય ને!

પ્રશ્નકર્તા : આમાં આપ નિમિત્ત તો ખરાં ને ?

દાદાશ્રી : હા, નિમિત્ત તો ખરા ને ! અમે તો પોતે જ તમને કહીએ છીએ ને, કે અમે તો નિમિત્ત છીએ, ખાલી નિમિત્ત ! પણ તમે નિમિત્ત માનો તો તમને નુકસાન થશે. કારણ કે ઉપકારી ભાવ જતો રહે. જેટલો ઉપકારી ભાવ એટલું પરિણામ વધારે પામે. ઉપકારી ભાવને ભક્તિ કહી છે.

પ્રશ્નકર્તા : આપને નિમિત્ત માનીએ તો ઉપકારી ભાવ જતો રહે, એ ના સમજાયું.

દાદાશ્રી : અમે તો તમને કહીએ છીએ કે અમે નિમિત્ત છીએ. પણ જો તમે નિમિત્ત માનો તો તમને લાભ ના મળે. તમે ઉપકાર માનો તો પરિણામ પામે. એ નિયમ છે આ દુનિયાનો. પણ આ નિમિત્ત એવાં છે કે મોક્ષે લઈ જનારા નિમિત્ત છે. માટે મહાન મહાન ઉપકાર માનજો. ત્યાં અર્પણ કરવાનું કહ્યું છે. ઉપકાર માનવાનું એકલું નહીં, પણ આખા મન-વચન-કાયા અર્પણ કરજો. સર્વસ્વ અર્પણ કરતાં વાર ના લાગે એવો ભાવ આવવો જોઈએ.

વીતરાગોએ પણ કહેલું કે જ્ઞાની પુરુષ તો એમ બોલે કે ‘હું તો નિમિત્ત છું.’ પણ મુમુક્ષુએ પોતે ‘એ નિમિત્ત છે’ એવું ના માનવું. મુમુક્ષુએ નિમિત્ત ભાવ દેખાડવો ના જોઈએ કોઈ દહાડો કે ‘ઓહો, તમે તો નિમિત્ત છો. એમાં તમે શું કરવાના છો ?’ ‘એ જ અમારા સર્વસ્વ છે’ એવું બોલવું, નહીં તો આ વ્યવહાર ચૂક્યા કહેવાય. તમારે તો ‘એ જ મોક્ષે લઈ જનારા છે’ એમ કહેવું અને જ્ઞાની પુરુષ એમ કહે કે ‘હું નિમિત્ત છું.’ આમ બેઉનો વ્યવહાર કહેવાય છે.

પરમ વિનય એ જ સંપૂર્ણ સમર્પણ

જ્યાં પરમાત્મા વ્યક્ત થયા છે એવા ‘જ્ઞાની પુરુષ’ને પૂરેપૂરા અર્પણ થઈ જવાનું હોય. ત્યાં આપણો આત્મા આત્મસ્વભાવમાં ને દેહ પરમ વિનયમાં હોય.

પરમ વિનય એટલે ગ્રહણ કર્યા કરવું. પૂજ્ય માણસનો રાજીપો મેળવવો. પછી ભલે એ મારે-કરે પણ ત્યાં જ પડી રહેવું ! અવિનય સામે વિનય કરવો તે ગાઢ વિનય કહેવાય અને અવિનયથી બે ધોલ મારે ત્યારે પણ વિનય સાચવવો તે પરમ અવગાઢ વિનય કહેવાય. આ પરમ અવગાઢ વિનય જેને પ્રાપ્ત થયો તે મોક્ષે જાય. તેને સદ્ગુરુની કે કશાની જરૂર નથી. તે સ્વયં બુદ્ધ થાય એની હું ગેરેન્ટી આપું છું.

પરમ વિનય એટલે કે આ દાદા જ જ્ઞાની પુરુષ છે અને એ જ મને મોક્ષે લઈ જશે એમ ખાત્રીથી, નિશ્ચયથી માને તે પરમ વિનય કહેવાય.પરમ વિનય એટલે સંપૂર્ણ સમર્પણ.

પોતાના ડહાપણે ચાલે તો થાય વાંકું

પ્રશ્નકર્તા : તમે રસ્તો બતાવ્યો, પણ એ રસ્તે અમે ના ચાલીએ તો શું થાય ?

દાદાશ્રી : ના ચાલે એવું બને, પણ

(પા.૧૩)

જવાની પોતાની ઇચ્છા જોઈએ. પોતાને નથી જવું તો એ ઊંધે રસ્તે જાય, પણ પોતાને જવું જ છે ને બીજાં કર્મો અંતરાય કરતાં હોય તેનો વાંધો નથી. પોતાને જવું છે એવું નક્કી હોય તો ‘જ્ઞાની પુરુષ’ના આશીર્વાદ વર્ત્યા કરે. કર્મો લાખ આવશે તોય ‘જ્ઞાની પુરુષ’ની કૃપાથી તે ઊખડી જશે, પણ જેને પોતાને જ વાંકું કરવું હોય તેનો ઉપાય નથી.

જે પોતાના જ ડહાપણથી આગળ ચાલી રહ્યો છે, તે મોક્ષ તો કોઈ દહાડોય ના પામે. કારણ કે માથે કોઈ ઉપરી નથી. માથે કોઈ ગુરુ કે જ્ઞાની ના હોય ત્યાં સુધી શું કહેવાય ? સ્વચ્છંદ ! જેનો સ્વચ્છંદ રોકાય એનો મોક્ષ થાય, એમ ને એમ મોક્ષ ના થાય.

રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ

આ તો પાછા સ્વચ્છંદ કાઢવા માટે જાતે ઉપાય કર્યા લોકોએ. એટલે પછી કૃપાળુદેવે બીજું વાક્ય શું કહ્યું ?

‘‘પ્રત્યક્ષ સદ્ગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય,

અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય.’’

અન્ય ઉપાય શો છે ? હા, તું તારી મેળે સ્વચ્છંદ કાઢવા જઈશ તો સ્વચ્છંદ જશે નહીં. પોતે-જાતે જે કંઈ ઉપાય કરવા ગયા ને, તો બમણો થાય, એવું કહે છે. આ પ્રત્યક્ષ સદ્ગુરુ સિવાયનો બીજો કોઈ ઉપાય તું કરીશ સ્વચ્છંદ રોકવાનો તો પ્રાયે બમણો થાય. એમણે બમણો કહ્યો છે, પણ હું તો વીસગણો કહું છું. અત્યારે મોંઘવારી ખરી ને ! એટલે આ સ્થિતિ થઈ છે !

સ્વચ્છંદ જાય તો પોતાનું કલ્યાણ પોતે કરી શકે. પણ સ્વચ્છંદ જાતે કાઢવા જાય તો નીકળે નહીં ને ! સ્વચ્છંદને ઓળખવો પડશે ને ! તું જે કંઈ કરે છે તે સ્વચ્છંદ જ છે. કૃપાળુદેવે કહ્યું હતું કે ‘સજીવન મૂર્તિના લક્ષ સિવાય જે કંઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધનકર્તા છે, તે અમારું હૃદય છે. જે કંઈ પણ કરે તે બંધન છે, એ જ સ્વચ્છંદ છે.’ એક વાળ જેટલું કરે તોય સ્વચ્છંદ જ છે. વ્યાખ્યાને જાય કે સાધુ બની જાય, તપ-ત્યાગ કરી શાસ્ત્ર વાંચે તે બધું જ સ્વચ્છંદ છે. તું જે જે ક્રિયા કરે છે તે જ્ઞાની પુરુષને પૂછીને કરવાની, નહીં તો તે સ્વચ્છંદ ક્રિયા કહેવાય. એનાથી તો બંધનમાં પડાય.

સ્વચ્છંદ સમર્પણતા તોડાવે

સ્વચ્છંદ નામનો રોગ શું કરે ? એ સ્વચ્છંદ શંકાઓ કરાવડાવે, જ્ઞાની પુરુષ આગળ સમર્પણ કરવાની બુદ્ધિ ઉત્પન્ન ના થવા દે. એનું શું કારણ ? પુસ્તક-શાસ્ત્ર વાંચ્યું હોય ને, જે જાણ્યું હોય ને, તેનો સ્વચ્છંદ ઊભો થાય. એ ‘બૅક’ (પાછળ) રાખશે. એ સ્વચ્છંદ છે ને, એ અકડાઈ કરાવડાવે. એવું બધું જાતજાતનું ઊભું થાય. ઊલટો રોગ ક્રોનિક (હઠીલો) થઈ જાય છે. અકડાઈ સમજ્યા તમે ?

પ્રશ્નકર્તા : હા, હા, સમજાયું.

દાદાશ્રી : સરળતા એટલે એને જેમ વાળે તેમ વળી જાય અને આ સ્વચ્છંદ છે તે વળવા ના દે. એટલે આટલો ફેરફાર કરવો પડશે. એ અકડાઈ અને શંકા, એ બે આવે ને, તો ત્યાં કહીએ, ‘તમે જાવ હવે. ભઈ, બહુ દહાડા થયું. શંકાઓ બહુ દહાડા કરાવડાવી. હવે મારે તમારાથી વિરુદ્ધ જ કરવું છે. તમારું કહ્યું માનવું જ નથી.’ અને અકડાઈને આપણે કહીએ કે ‘બહુ દહાડા અકડાઈ કરી. હવે મારે જ્ઞાની પુરુષની આજ્ઞા છે, તે પ્રમાણે મારે સમર્પણ કરી દેવું છે.’ આ બે વાક્યો આપણે કર્યા કરવાનાં, તો જોડે લેવલમાં રહેવાશે.

અરે ! અહીંથી ઘેર જશે ને, તો શંકાઓ

(પા.૧૪)

આવશે. વળી, કોઈ બહારનો માણસ આવશે તો એ શંકા વધારી આપે કે ‘આવું હોય નહીં. તમે ક્યાં ફસાયા અહીં ?’ એટલે જ્ઞાની પુરુષ પાસે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, જ્ઞાન ફળદાયી થયા પછી આપણે કોઈને વાત કરીએ, ત્યાં સુધી ગુપ્ત રાખીએ. નહીં તો આપણનેય જંપીને બેસવા ના દે અને અહીં જ્ઞાની પુરુષ પાસે આવવાય ના દે.

પ્રશ્નકર્તા : એ શંકાઓ છોડાવવી આપના હાથની વાત છે.

દાદાશ્રી : હા, એ વાત બરાબર છે પણ મારું શું કહેવાનું કે આપણે ચેતતા રહેવું.

પ્રશ્નકર્તા : પણ મને સ્વચ્છંદતા ના આવે એવું કરશો.

દાદાશ્રી : આ તમારી ભાવના છે એને માટે હું ‘વિધિ’ કરી આપીશ, પણ આ રોગ બધો કહી દઉં છું. એ રોગ કાઢી નાખવા માટે અહીં આગળ ‘વિધિ’ કરું ત્યારે શક્તિ માંગી લેજો કે ‘મારો સ્વચ્છંદ બધો લઈ લો.’ તમારે એવું માગવું, અને હું ભગવાનને કહી દઉં કે ઉકેલ લાવો.

જ્ઞાની પુરુષ એટલે આખા વર્લ્ડની અજાયબી કહેવાય ! કોઈ ચીજના ભિખારી નથી એવા જ્ઞાની પુરુષ પાસે જઈ અને ત્યાં સમર્પણ કરજે, તો કામ થઈ જશે. બસ, એટલું જ કહેવા માગે છે. અને એમના કહ્યા પ્રમાણે કરવાનું છે, એમની આજ્ઞાની બહાર તો ચાલવાનું છે જ નહીં.

એટલે કો’ક ફેરો આવા પ્રગટ પુરુષ હોય ! બાકી, પ્રગટ હોઈ શકે નહીં ને ! કો’ક ફેરો હોય આ તો. અને મહાન પુણ્યૈ હોય ત્યારે ભેગા થાય. આ તમારી કેટલી જબરજસ્ત પુણ્યૈ, નહીં તો આ હોય જ નહીં ને !

બુદ્ધિને કરવી અર્પણ

પ્રશ્નકર્તા : આ બુદ્ધિ આવી ચાલતી’તી એટલે મેં કીધું ‘આ બુદ્ધિ દાદાના ચરણોમાં સોંપી દેવી છે આજે.’ એટલે આ બુદ્ધિ મેં આજે મૂકી દીધી તમારા ચરણોમાં.

દાદાશ્રી : હા, બહુ સારું કર્યું. આ એક જ સત્સંગ એવો છે કે જ્યાં બુદ્ધિને સમર્પણ કરે છે. નહીં તો બીજે બધે બુદ્ધિ સમર્પણ કોઈ કરે જ નહીં ને ! એના આધારે તો ગાડું ચાલે એનું.

પ્રશ્નકર્તા : અમે બધા બુદ્ધિવાદીઓ અને બુદ્ધિજીવીઓ છીએ, બુદ્ધિશાળીએય નથી.

દાદાશ્રી : બરોબર છે. તમારી બુદ્ધિ એવી હોય પણ એ તો જ્ઞાનીપુરુષ બુદ્ધિ વગરના હોય, એવા જ્ઞાની પાસે જ્યારે અર્પણતા થાય, બુદ્ધિ સમર્પણ થાય, ત્યારે પોતાની બુદ્ધિ ધીમે ધીમે જવા માંડે. નહીં તો બુદ્ધિ જાય નહીં. બુદ્ધિ ઊલટું બખેડો કર્યા કરે.

પ્રશ્નકર્તા : બુદ્ધિ પાછી પેસી નથી જતી. એ ઉછાળા મારતી હતી, પણ હવે કહ્યાગરી થઈ છે. એને કહું છું કે બિંદુની જેમ ના રહે, સાગરમાં આવી જા.

દાદાશ્રી : હા, અર્પણ કરી દેવાની. બરોબર છે, મૂકી દો.

પ્રશ્નકર્તા : તો પછી બુદ્ધિ પાછી કહ્યાગરી બને છે.

દાદાશ્રી : ના, એ તો એવું છે ને, એ અર્પણ કરે ને, તોય એનો અમુક ભાગ અર્પણ થઈ જાય અને પછી પાછી વળગે. એટલે આપણે ભાવ જ એવો રાખવાનો. બુદ્ધિને એમ કહેવાનું કે ‘તેં ઘણા ઉપકાર કર્યા છે. માટે હવે તો તને બધું છૂટું કરીએ. તારે જે જોઈતું હોય તે તું

(પા.૧૫)

માગી લે. જ્યારે ત્યારે છૂટું જ થવું પડશે.’ પછી અમે અબુધ થયા, તે શી રીતે થયા ? એ રીતે થવું જ પડશે, અબુધ તો. અબુધ થયા વગર છૂટકો નથી.

પ્રશ્નકર્તા : મેં બુદ્ધિ બાજુ પર મૂકી દીધી.

દાદાશ્રી : બુદ્ધિ બાજુ પર મૂકી દે ને, તો આ જગત બહુ સરસ ચાલે એવું છે. જ્ઞાન પ્રગટ થયું ક્યારે કહેવાય ? વીતરાગતા ઉત્પન્ન થાય ત્યારે. વીતરાગતા ઉત્પન્ન ક્યારે થાય ? બુદ્ધિનો અભાવ થાય ત્યારે. એનાં બધાં કનેક્શન (સાંધા) મળવા જોઈએ ને ? આ તો આપણું જ્ઞાન એવું છે કે ધીમે ધીમે આપણે એના ઉપર દ્રષ્ટિ રાખીશું, તો ઓગળ્યા કરે બધું. એટલે આપણા મહાત્માઓને તો પેલું મીણબત્તીનું (બુદ્ધિનું) સળગતું રહે છે, એનાથી જુએ છે. અલ્યા, આનાથી (જ્ઞાનથી) જો ને! આ સ્વ-પર પ્રકાશક છે !

પૂજ્યતા ના તૂટે એ જ સમર્પણનો સાર

અમે તો કહીએ છીએ કે ગુરુ કરો તો સાવચેતીથી કરજો. પછી ગાંડાઘેલા નીકળે તોય તારે એમનું ગાંડાઘેલાપણું નહીં જોવાનું. જે દહાડે તેં ગુરુ કર્યા હતા, એ જ ગુરુ પછી જોવાના. આપણે જે દ્રષ્ટિથી પહેલા જોયેલા તે જ દ્રષ્ટિ રાખીએ, નહીં તો આ તો ભયંકર અપરાધ કહેવાય.

અમે જાતે એક ઝાડ રોપ્યું હોય અને ત્યાં આગળ અમારે જ રેલ્વે નાખવાની હોય ને એ ઝાડ રેલ્વેની વચમાં આવતું હોય ને જો કાપવાનો પ્રસંગ આવે, તો હું કહું કે ‘મેં રોપેલું છે, મેં પાણી પાયેલું છે, માટે રેલ્વે ફેરવો પણ ઝાડ ના કપાવું જોઈએ.’ એટલે એક મહારાજને હું પગે લાગ્યો હોઉં તો એ ગમે તે કરે તોય મારી દ્રષ્ટિ હું ના બગાડું. કારણ કે એ તો કર્માધીન છે. જે દેખાય છે એ બધુંય કર્માધીન છે. હું જાણું કે આમને કર્મના ઉદય ફરી વળ્યા છે. એટલે બીજી દ્રષ્ટિથી ના જોવાય આવું તેવું. જો ઝાડ કાપવું હતું તો ઉછેરવું નહોતું અને ઉછેરવું છે તો કાપીશ નહીં. આ અમારો સિદ્ધાંત પહેલેથી ! તમારો સિદ્ધાંત શું છે ? વખત આવે તો કાપી નાખવું હડહડાટ?

એટલે જેને પૂજીએ એને ખોદી ના નાખશો, નહીં તો પછી જેને પૂજ્યા, ચાલીસ વર્ષથી પૂજ્યા ને એકતાલીસમેં વર્ષે ઉડાડી મૂકીએ, કાપી મૂકીએ, તો ચાલીસ વર્ષનું તો ગયું ને ઉપરથી દોષ બંધાયા.

તમે જે’ જે’ કરશો નહીં ને કરો તો પછી એમના પ્રત્યેની પૂજ્યતા તૂટવી ના જોઈએ. એ ન તૂટે એ જ આ જગતનો સાર છે ! આટલું જ સમજવાનું છે.

દ્રષ્ટિ ના બદલાય એનું કલ્યાણ થાય

આ કૃપાળુદેવે ભલામણ કરી છે. શું ભલામણ કરી છે ? સત્પુરુષ એ જ પરમાત્મા છે, દેહધારી પરમાત્મા ! અને જ્યાં સુધી તેમ નહીં માનવામાં આવે, ત્યાં સુધી તમારું કલ્યાણ નહીં થાય.

જો જ્ઞાની પુરુષને સનેપાત થાય, તે લોકોને બચકું ભરે, ઢેખાળા મારે કે ગાળો દે તોય એમનું પરમાત્માપણું છોડશો નહીં, કહે છે. શું કહ્યું છે ? એમનો આચાર જોશો નહીં.

કોઈ પણ સ્થિતિમાં એમનો કોઈ પણ આચાર જોશો નહીં. સનેપાત થાય ત્યારે શું કરે દેહ ? ગાળો દે, બચકા ભરે. કૃપાળુદેવે મોટામાં મોટું વાક્ય લખ્યું છે આ. તે વખતે દ્રષ્ટિ ના બદલાય એનું કલ્યાણ થઈ જાય. બાકી દ્રષ્ટિ બદલાઈ ગઈ તો જરા ભોળા હોય ને, ભોળા જીવો ત્યાં પડી જાય બધા. ભોળા જીવો શું કરે ?

(પા.૧૬)

પ્રશ્નકર્તા : પડી જાય, વિરાધના કરે.

દાદાશ્રી : તેથી આ કૃપાળુદેવે લખેલું કે આ દેહ શેને આધીન છે ? આત્મા શેને આધીન છે અત્યારે ? આ દેહનું પેકિંગ છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : દેહનું પેકિંગ બદલાયા કરે ઉદયાધીન. મન ઉદયાધીન, વાણી ઉદયાધીન, એમાં છે તે હાથ ઘાલશો નહીં. જે સ્વરૂપે દર્શન કર્યા છે, જે સ્વરૂપને તમે સમર્પણ કર્યું છે, એ સ્વરૂપને ચૂકશો નહીં.

સંપૂર્ણ સમર્પણ થયે ચિત્ત દાદામય

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી સંપૂર્ણ સમર્પણ કેવી રીતે થાય ?

દાદાશ્રી : મારા વગર ચેન ના પડતું હોય ને, તો સમર્પણ વધતું જાય. દાદા યાદ આવ્યા કરે ને અહીં હોય તો બહુ સારું, એવું બધું થતું હોય ત્યારે સમર્પણ વધતું જાય. ધંધો તો ચાલ્યા જ કરે. ધંધા કંઈ અટકે નહીં.

પ્રશ્નકર્તા : વિરહ ઉત્પન્ન થાય ત્યારે સમર્પણ થાય ?

દાદાશ્રી : ના, વિરહ વસ્તુ જુદી છે. વિરહ તો અગ્નિ છે, એટલે અગ્નિ સહન ના થાય. માણસ અહીં દોડતો મુંબઈ આવે. વિરહ અગ્નિ છે. પણ આ તો કેવું ? દાળ-ભાત-શાક બનાવે, વેઢમી બનાવે, ભજિયાં બનાવે, બધો સામાન નાખે, કઢીમાં સામાન નાખતી જાય છતાં, સાહેબ (પતિ) છે તે ઑફિસમાં ગયા હોય ને, તો એને સાહેબ જ લક્ષમાં રહ્યા કરે. એના ચિત્તમાં કોણ હોય ?

પ્રશ્નકર્તા : સાહેબ.

દાદાશ્રી : સાહેબ ચિત્તમાં જ રહ્યા કરે. આ રીતે લોકોને દાખલો આપું છું કે આવું જો ચિત્ત રહેતું હોય, તોય પેલી બઈની રસોઈ ફર્સ્ટ ક્લાસ થાય પાછી. એ માણસ કહે છે, ‘ભઈ, જો એનું ચિત્ત ત્યાં ને ત્યાં હોય તો અહીં સંસાર બગડી જશે.’ એ વાતમાં માલ નથી.

પ્રશ્નકર્તા : જે કાર્ય કરતા હોય, એમાં ચિત્ત રાખવું જોઈએ. ચિત્ત બીજે રાખીએ તો તો કાર્ય બગડી જાય.

દાદાશ્રી : ના, કાર્ય તો સ્થિત થયેલું જ છે. અને ચિત્ત ત્યાં હોય ને, તો હરેક કાર્ય સહજ છે. કાર્યો કેવી રીતે થાય છે ? સહજ. એટલે ચિત્ત તમારે જે ઑફિસમાં રાખવું પડે છે ને, તે કઢીમાં ઓછું રાખવું પડતું હશે? મરચું ક્યાં મૂક્યું છે, મીઠું ક્યાં મૂક્યું છે, ફલાણું ક્યાં મૂક્યું છે, શું નાખવાનું છે, શું નાખવાનું નહીં એ બધું, એ કઢી બનાવવામાં કંઈ ઓછું કામ છે ?

પ્રશ્નકર્તા : ત્યારે રસોઈ બગડતી વખતે શું હોય છે ?

દાદાશ્રી : ના બગડે. જે દહાડોય ચિત્ત જો એના ધણીમાં હોય ને, તે દહાડે રસોઈ ના બગડે. ચિત્ત બીજી જગ્યાએ જાય તો રસોઈ બગડે.

પ્રશ્નકર્તા : ચિત્ત બીજી જગ્યાએ ગયું ને રસોઈ બગડી...

દાદાશ્રી : આપણે પ્રશ્ન પૂછ્યો તે જુદો છે. એ પ્રશ્નનો હું જવાબ આપવા માગું છું, તે તમે બીજા રસ્તે લઈ જાઓ છો. હું આ સિમિલિ (દાખલો) આપું છું તો તમારું કામ સરળ થાય અને દાદામાં ચિત્ત રહે. તમારું કામ અહીં સરળ થઈ જશે. તમને બોજો નહીં લાગે અને કાર્ય થયા કરશે. તમને થોડું ઘણું એવું થાય છેય ખરું.

(પા.૧૭)

પ્રશ્નકર્તા : હા, એવું જ છે.

દાદાશ્રી : ત્યાર પછી, એમ કહી દો તો બધાને ખુલાસો થઈ જાય ને !

ત્યાં દાદા હાજર રક્ષા કાજ

એટલે દાદા આખો દહાડો યાદ રહે છે, તે ખરું કામ થઈ ગયું ને ?

કેટલાક લોકોને તો, દાદા ધોળે દિવસે વાતો કરતા માલમ પડે છે, તે એમની જોડે વાતો કરે છે. તે પછી મને એમ કહેવા આવે, કે ‘આવું તમે બોલ્યા’તા?’ મેં કહ્યું, ‘હું આવ્યો નહોતો.’ આ સૂક્ષ્મ શરીર બહાર ફરે છે. તે તમારો જ્યાં આગળ પ્રેમ ત્યાં જાય. જ્યાં જેટલો પ્રેમ, એટલું ત્યાં આગળ સૂક્ષ્મ શરીર ફરે. અને સાચવે એને, રક્ષા આપે, રક્ષા કરે.

જ્ઞાની કહે, પછી અમારી જવાબદારી

પ્રશ્નકર્તા : એટલે આમાં બધાને જ્ઞાન આપતા નથી ?

દાદાશ્રી : આપીએ એને, એની જો સ્ટ્રોંગનેસ (મજબૂતી) હોય તો. મારે આ જ જોઈએ છે તો આપીએ. પછી રમી રમતો હોય આખો દહાડો, તોય આપીએ.

પ્રશ્નકર્તા : હા, એ તો આપની ઉદારતા થઈ કે આપ આપો અથવા એ યોગ્ય પાત્ર સમજી લો, પણ એ પાત્રે પોતે કેમ નિશ્ચિત કરવું ?

દાદાશ્રી : એ તમારે જોવાનું નહીં, બધું હું કરી આપું. તમે મને તમારી જાતને સોંપી દો, પછી બધું મારે તમારું કરી લેવાનું. મારે જ ચલાવી લેવાનું.

પ્રશ્નકર્તા : અમે આ અમારી જાતને સોંપી છે કે નહીં એ કેવી રીતે ખ્યાલ આવે, તો અમને સમજણ તો પડે કે આવી રીતે સમર્પણ થઈ ગયું છે અમારું ?

દાદાશ્રી : તમારું ચલાવી લે તો જાણવું કે આ મારા ચલાવ્યા વગર ચાલે છે, માટે સોંપી દીધું.

પ્રશ્નકર્તા : હવે અમે સમર્પણ કર્યું છે આપને, એ અમારું સમર્પણ કેવી રીતે કબૂલ કર્યું આપે, એટલે અમને ખબર પડે કે ભાઈ, આ લેવલ ઉપર અમે હતા એટલે સમર્પણ કર્યું.

દાદાશ્રી : ના, ના, ના, મારે કશી જરૂર નથી. તમે સમર્પણ બોલો ને, એટલે બધું મારી પાસે આવી જ જાય. તમારે ના કરવું હોય તોય પછી આવી જાય. માટે એ તપાસમાં પેસશો નહીં.

અન્યત્વ નહીં, અનન્યપણું

આ દુનિયામાં અનન્યપણું જ્યાં સુધી ના આવે, ત્યાં સુધી એ માણસ કશું કમાતો નથી. એટલે આ સમજાય છે તમને, ‘અનન્ય’ શબ્દ સમજ્યા તમે?

પ્રશ્નકર્તા : સમર્પણ, શરણાગતિ !

દાદાશ્રી : સમર્પણ ને શરણાગતિ ને બધું અનન્યપણું. જે દેહના માલિક નથી એની પાસે જો કદી આપણે અનન્યપણું કરીએ, તો બધું આખી દુનિયાનું માનો કે આખું બ્રહ્માંડનું એ મળ્યું, સત્તા મળી ગઈ.

અનન્ય ભક્તિ હશે તો થશે છુટકારો

પ્રશ્નકર્તા : અનન્યપણું કહ્યું ને આપે, એટલે શું ?

દાદાશ્રી : અનન્યપણું જોઈએ. આ વિજ્ઞાન સાંભળ્યું નથી, સૂણ્યું નથી, જગતે જોયુંય નથી આ વિજ્ઞાન. એટલે અનન્યપણું ઉત્પન્ન ના થાય ત્યાં સુધી આપણને પૂરું ફળ મળે નહીં.

(પા.૧૮)

આ ઘરમાં સ્ત્રી હોય તે અનન્યપણે, બધે આમ કરે, વિવેક કરે બધેય, પણ અનન્યપણે એટલે કેવું ? કે મારા પતિ સિવાય બીજો પતિ નહીં, તો એનું બધું કામ સફળ થાય, નહીં તો સફળ જ કેમ થાય ? એટલે કૃષ્ણ ભગવાને તેથી ગોપીઓને કહે છે ને, ‘અનન્ય ભક્તિ જોઈશે.’ શું કહે છે ?

પ્રશ્નકર્તા : અનન્ય ભક્તિ જોઈશે.

દાદાશ્રી : અનન્ય ભક્તિ એટલે બીજી કોઈ ચીજ એને યાદ ના આવે. ઘરબાર, બૈરાં-છોકરાં-ધણી કશું યાદ જ ના આવે.

એટલે એક અનન્યપણું કે ભઈ, કાં તો આ કૂવામાં પડ કે કાં તો આમાં પડ. બેમાંથી એકમાં પડ. બેય કૂવામાં પડ પડ કરશે, તો ક્યારે પાર આવશે ?

પ્રશ્નકર્તા : આ જે તમે કહો છો ને, કૃષ્ણે અર્જુનને કીધું, ‘સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ’.

દાદાશ્રી : ‘બસ, અનન્યમાં આવી જા. તો તારો છૂટકારો છે, નહીં તો છૂટકારો કેમ થશે ?’ કહે છે. છૂટેલો માણસ જો તેં ખોળી કાઢ્યો હોય તો પછી તારો છૂટકારો થશે. નરના નારાયણ થયેલા છે પોતે, પછી ત્યાં પૂછવાનું ક્યાં રહ્યું ?

પ્રશ્નકર્તા : પણ દાદા, એ છૂટતું નથી. ભાંજગડ જે છે ને, એમ થાય કે આય સાચું છે ને આય સાચું છે, એ છૂટવું બહુ મુશ્કેલ છે.

દાદાશ્રી : એ તો ચાબખા મારે ત્યારે છૂટે, નહીં તો ના છૂટે. કારણ કે પોતાની જાતને ડાહ્યો માનીને બેઠો છે. આપણે પૂછીએ કે ‘ભઈ, તમે ડાહ્યા છો તો ચાલો તમારે ઘેર ન્યાય કરીએ આપણે.’ એટલે છોકરાં ને વહુ ને બધાની રૂબરૂમાં ન્યાય કરીએ ને, તો નાના છોકરો કહે કે ‘એમનો નંબર કેટલો ?’ ત્યારે કહે, ‘એમનો છઠ્ઠો નંબર લાગે અમારા ઘરમાં.’ આવડો તેર વર્ષનો છોકરો હશે તે ! તો મૂઆ, આટલી આટલી ફી આપું છું, આટલું આટલું ખવડાવું છું, પીવડાવું છું તોય તારો નંબર તો છઠ્ઠો લગાડે છે આ નાનું છોકરું ! તો બળ્યું તારું જીવન ! એને મનમાં એમ થવું જોઈએ કે મારા બાપુજી જેવો કોઈ માણસ જ નથી ! કેવું હોવું જોઈએ ?

પ્રશ્નકર્તા : પાછું એવું પણ લાગવું જોઈએ કે મારા ધણી જેવો કોઈનો ધણી નથી.

દાદાશ્રી : અનન્યપણું. અને બીજું શું ? પોતાનો ધણી હોય, તેને આમ વંદન કરીએ તો પતિવ્રતા ભાવે કરીએ અને બીજાને આમ વંદન કરવામાં વાંધો નથી, વ્યવહારથી. વ્યવહારથી બધે કરીએ આપણે, વિનય તો બધે કરીએ, પણ ધણી એક જ હોવો જોઈએ. એવું કંઈક હોવું જોઈએ. એની લિમિટ હોવી જોઈએ. એ લિમિટની બહાર ગયા પછી રહ્યું શું આપણી પાસે ?

એટલે મેં અનન્યપણાનો અર્થ સમજાવ્યો, તે એને ફિટ થઈ ગયું. અને પછી આજે જ્ઞાનેય એટલું સરસ ફિટ થઈ ગયું, નહીં તો બફાયા કરત બધું.

જે જ્ઞાન બીજાને, દરેક માણસને સમજણ ન પડે, એ જ્ઞાન અજ્ઞાન જ છે. ભણેલા-અભણ બધાને સમજાઈ જવું જોઈએ, નહીં તો એ બધું અજ્ઞાન.

જ્ઞાનને સમજે નહીં અને તુલના કરે, ક્યાં આગળ ભેદવિજ્ઞાનીની વાત ! એક અક્ષરેય આખી દુનિયામાં કોઈની પાસે ના હોય. અને ત્યાં આગળ તુલના કરવા જાય પછી શું થાય ? અનન્યપણું છૂટી જાય. એટલે પછી ફળ ના મળે આપણને. કૃષ્ણ ભગવાને શું કહ્યું કે અનન્યપણામાં

(પા.૧૯)

આવી જા. અનન્યપણું થાવ. જ્યાં આગળ ફેરફાર થાય, જ્યાં ઠીક લાગે, ત્યાં અનન્યપણું થઈ જાવ, કમ્પ્લીટ (સંપૂર્ણ).

અનન્ય ભક્તિ સિવાય કોઈ દહાડોય સફળ કામ થાય નહીં. હવે આ કોરી સ્લેટોવાળાને તો અનન્ય ભક્તિ છે જ, જે ચિતરેલી સ્લેટવાળા છે તેને ભાંજગડ છે. કોરી સ્લેટવાળાને તો ભાંજગડ જ નથી. ભાઈ, લખ્યું જ ન્હોતું, તો શું હવે ? અને થોડા એકડા ખેંચ્યા હતા તો, ભૂંસી નાખ્યા. એટલે પછી અમે આ ચેતવીએ એને. તેથી કૃષ્ણ ભગવાને લખ્યું છે ને, અનન્ય પ્રેમ.

અનન્યપણું જ કરાવશે પૂર્ણાહુતિ

પ્રશ્નકર્તા : ‘જેની આજ્ઞા પાળવી છે, એનું અનન્યપણું થવું જોઈએ’ એ સમજાવો.

દાદાશ્રી : જેની આજ્ઞા પાળવી છે, તેમાં અનન્ય આવવું જોઈએ. તમારે બીજું કશું કરવાનું નહીં. તમારે તો અનન્યતા કરી કે ચાલ્યું પછી. આ તો પાણી વચ્ચે આટલો પથરાનો ટુકડો પડી રહ્યો છે, તે ખસેડવાની જરૂર છે. બસ, બીજું કશું નહીં. તે પાણી ઝપાટાબંધ વહેવા માંડે.

અનન્યપણું એટલે આપણે એમ મહીં પટંતર પામ્યા હોઈએ, પટંતર કે કંઈક વિશેષતા અનુભવી હોય તો પછી ત્યાં અનન્યપણું કરી નાખવું. અને ના અનુભવી હોય તો ત્યાં અન્યપણું રહેવાનું જ છે. એટલે અનન્યપણું કરે ને, તેની સાથે જ આ પાંદડું ખસેડવાની જરૂર છે અને તમારા જેવાને વાર જ ના લાગે. તમારા જેવાને તો એક પાંદડું ખસેડવાની સાથે જ, એક જ દહાડો જો પાંદડું ખસેડી નાખો ને, તમને અનુભવ થઈ જશે.

જેની પર અનન્ય શ્રદ્ધા થાય, તે રૂપ પોતે થાય. પણ અનન્ય શ્રદ્ધા થવી એ બહુ મુશ્કેલ વસ્તુ છે !

જ્યાંથી અનુભૂતિ ત્યાં ખપે અનન્ય ભક્તિ

અનન્ય એટલે આપણને આ એક સત્ય લાગ્યું હોય એ સત્યને ઠેઠ સુધી પાર ઉતરી, અંદર ઊંડા ઊતરી જવું જોઈએ. બીજાની જોડે સરખામણી પણ ન કરવી જોઈએ. સરખામણી કરવી સહેલી નથી.

એક માણસ અહીં આગળ આવ્યો, તે સાવ સોનાની જણસ લાવ્યો અને બીજો માણસ છે તે રોલ્ડ ગોલ્ડની જણસ લાવ્યો, એ બેઉને સરખું કહે. તો જાણકાર માણસ એને શું કહે ? સરખું દેખાય ખરું બધું, સરખું અનુભવાય ખરું, પણ એમાં કશું વળે નહીં અને એટલી બધી હદે કાઢતા આવડે નહીં. માણસનું ગજું નહીં. આ દાદાની વાણી જોડે સરખામણી કરવાની શક્તિ કોને છે ? એક પણ માણસ ખોળી લાવો, જેને આશક્તિ હોય ! સરસ્વતી છે આ તો ! પ્રત્યક્ષ સરસ્વતી ! એની શી રીતે સરખામણી કરાય ? આ તો હું જાતે કહું છું. એટલે આ વાણી મારી નથી, ટેપરેકર્ડની વાણી છે. હું એને સરસ્વતી કહું છું. પણ એની સાથે કોઈના એક વાક્યની સરખામણી ના થાય. વર્લ્ડમાં ના થાય આ કોઈ જગ્યાએ ! આ તો અજાયબ વાણી છે ! આ શબ્દ ચેતન શબ્દ છે. ચેતન શબ્દ હોય નહીં દુનિયામાં. આ શબ્દ મરેલાને જીવતો કરે !

પટંતર પમાડનારને સર્વસ્વ સમર્પણ

પ્રશ્નકર્તા : આ આજ્ઞાઓ આપે જે આપી, આ જાગૃતિ જે આપે કરાવી, એમાં બ્રહ્માંડના ભાવો સમાયેલા છે. હવે એથી આગળ કશું કહેવાનું રહેતું નથી.

દાદાશ્રી : તમામ શાસ્ત્રો, બધા આગમો, આમાં આવી ગયા. ચોવીસ તીર્થંકરોનું ભેગું વિજ્ઞાન છે આ !

પ્રશ્નકર્તા : આ અમારા દિલમાં જે લાગ્યું તે આપને કહ્યું સાહેબ, લો!

(પા.૨૦)

દાદાશ્રી : જેના થકી આપણે પટંતર પામ્યા, તેને સર્વસ્વ અર્પણ કરવામાં ખચકાટ ના અનુભવવો જોઈએ. સર્વસ્વ અર્પણ કરજો, કહે છે. જેનાથી આપણે પટંતર પામ્યા. શું હતા ને શું થઈ ગયા ! પટંતર જાત્યાંતર કહેવાય.

અમે પાંચ આજ્ઞા આપીએ છીએ ને, તે આજ્ઞા જેટલી પાળો એટલો લાભ. ઓછી પાળો તો જરા લાભ ઓછો રહે. પણ તે ક્રોધ-માન-માયા-લોભ તો જતાં જ રહે છે. નબળાઈઓ એ જતી રહે છે. આ તો એવું છે કે આ જ્ઞાન પ્રાપ્ત થયું છે ને, તે પાંચ અબજ રૂપિયા આપો તોય આ જ્ઞાન પ્રાપ્ત થાય એવું નથી. પાંચ લાખ અવતારેય ના થાય, એવું એક કલાકમાં થાય છે. આની ઉપર ટાઈમ બગાડવા જેવું નહીં. આ વિવરણ કરવા જેવી ચીજ ન્હોય. ધીસ ઈઝ ધ કેશ બેંક ઑફ ડિવાઇન સોલ્યુશન ! કેશ બેંકમાં એમ ના કહેવાય કે તમારો ચેક પછી કેટલા વાગે આવશે અને કેટલા વાગે મને પેમેન્ટ (પૈસા) મળશે, એવું તેવું કશું કહેવાય નહીં. આ સમજમાં આવે છે ને? અને કેશ બેંક કહ્યું એટલે આપણે સમજી જઈએ કે ના સમજી જઈએ ? કેમ લાગે છે તમને?

મેં તો મારા બધા મહાત્માઓને કહી દીધું, ‘તમારે કશું જ કરવાનું નહીં. કરવાનું મારે, ફક્ત મારી આજ્ઞા પાળજો.’ લિફ્ટમાં હાથ ના ઘાલશો ને લિફ્ટ તૂટી જાય એવું ના કરશો. અને તમારે કરવાનું હોય તો પછી દાદાને શું કરવાનું ? દાદા બધું જ કરી લેશે. અને જુઓ, ન્યાય શું કહે છે કે તમે સમર્પણ કરો એટલે તમારે શું કરવાનું હોય ?

સમર્પણની રીત શીખવે દાદા

આ વિજ્ઞાન છે, અક્રમ વિજ્ઞાન છે આ તો ! વિજ્ઞાન એટલે તરત ફળ આપનારું. કરવાપણું ના હોય એનું નામ વિજ્ઞાન અને કરવાપણું હોય એનું નામ જ્ઞાન ! કરવાપણું હોય ત્યાં શું કહેવાય ? એટલે હું તમને કહું, ‘આટલું કરી લાવજો.’ ત્યારે કહે, ‘સાહેબ, તમે આવડા મોટા ગુરુપદે બેઠા છો ને, પાછા મને કરી લાવવાનું કહો છો ? હું તો અપંગ છું.’ શું કહેવાય ? ‘હું તો પાંગળો છું.’

જ્ઞાની કોનું નામ કહેવાય કે બાળકને પોતે કરી આપે. બાળક ખુશ હોવું જોઈએ. સશક્ત માણસે એને લઈ લેવો જ જોઈએ. આજે ઉપદેશકો શું કરે છે ? ‘તમે આમ કરજો, આમ કરજો. તમારાથી થતું નથી.’ ઉપદેશકોને આપણે કહેવું જોઈએ કે ‘સાહેબ, હું તમારી પાસે આવું શું કરવા ? જો મારે કરવાનું હોય તો હું શું કરવા તમારી પાસે આવું ? હું તો અપંગ (અસમર્થ) છું.’

આપણે જેને અર્પણ કરીએ, જેને સમર્પણ કરીએ, પછી એની જવાબદારી એમણે પોતે લેવી જોઈએ.

એટલે અમે તમને શું કહીએ છીએ કે તમારે મને ચોંટી પડવાનું કે ‘દાદા, તમે જ કરી આપો. ભાઈ સા’બ, હું તો થાક્યો. અનંત અવતાર સુધી થાક્યો. કરી કરીને થાક્યો.’ માથે પડી જાવ.

પ્રશ્નકર્તા : આ થાક્યા છીએ એટલે જ આવ્યા છીએ.

દાદાશ્રી : એટલે ‘હવે માથે પડું છું. સાહેબ, જે કરવું હોય તે કરો. મારી નાખવો હોય તો મારી નાખો, જીવાડવો હોય તો જીવાડો, પણ મોક્ષે લઈ જાવ’ કહીએ. આ તો માથે પડવાની જરૂર છે. તમને હું શીખવાડું તો થાય એવું નથી. આ કળિયુગનું પ્રમાણ છે ને !

પ્રશ્નકર્તા : અમે તો આપને સમર્પણ થઈએ છીએ, આપની કૃપામાં સમર્પણ થઈએ છીએ.

દાદાશ્રી : વખત એવો છે તેથી, નહીં તો સમર્પણ ના કરાવે. આ તો સમર્પણ કહું છું ને, તે

(પા.૨૧)

બહુ જોખમદારી લેવા જેવું એ. શા માટે જોખમદારી લઉ છું કે ક્યાં સુધી ભટકશે લોક ? અને મને જોખમદારીનો વાંધો નથી. કારણ કે મારો ઉપરી કોઈ નથી કે સેંક્શન (મંજૂર) ના કરે. ઉપરી હોત તો એ સેંક્શન ના કરત, તો શું કરું હું ?

જ્ઞાનીને સોંપી સઘળું, આવે નિવેડો

પ્રશ્નકર્તા : દાદા, આપે જ્ઞાન અમને આપ્યું તે વખતે તો અમે સમર્પણ કરી દીધેલું છે, પણ છાનાછપનાં અમે લઈ જઈએ પાછાં.

દાદાશ્રી : કારણ કે અવળો અભ્યાસ છે. દાક્તરે કહ્યું હોય કે જમણા હાથે જમશો નહીં. જરા અહીંયાં થયું છે એ દુખાવો વધી જશે, તોય પાછું જમતી વખતેય મહીં જમણો હાથ પેસી જાય. એટલે લાઈન ઓફ ડિમાર્કેશન (ભેદરેખા) નાખેલી ને, એ ‘આપણું ન્હોય.’ અને એટલું ખ્યાલમાં રાખવું કે જે કંઈ દુઃખ આપે, કંઈ અવળી અસર કરે એ ‘આપણું ન્હોય.’ અને આપણું એ અવળી અસર કરે નહીં. બસ, આ બે વાત સમજી લો. સહેલી છે ને, બસ!

અમે તો કહીએ છીએ કે ‘આખાય જગતના દુઃખો અમને હો. તમારામાં જો શક્તિ હોય તો તમારાં સર્વ દુઃખો જરાય અંતરપટ રાખ્યા વગર અમારા ચરણોમાં અર્પણ કરી જાવ. પછી જો દુઃખ આવે તો અમને કહેજો.’ પણ આ કાળમાં એવાય લોકો મને મળ્યા છે કે જેઓ કહે છે કે ‘દુઃખ આપી દઉં તો પછી મારી પાસે શું રહે ?’ પણ મૂઓ સમજતો નથી કે ‘તું પોતે જ અનંત સુખનો કંદ છું. તે દુઃખ આપી દઈશ તો નર્યું અપાર સુખ રહેશે.’ પણ કોઈને દુઃખ આપતાંય નથી આવડતું!

તમારા દુઃખો મને સોંપી દો અને જો તમને વિશ્વાસ હોય તો તે તમારી પાસે નહીં આવે. મને સોંપ્યા પછી તમારો વિશ્વાસ તૂટશે તો તમારી પાસે પાછાં આવશે. એટલે તમારે કંઈક દુઃખો હોય તો મને કહેવું કે ‘દાદા, આટલાં દુઃખ મને છે, તે હું તમને સોંપી દઉં છું.’ એ હું લઈ લઉં તો નિવેડો આવે, નહીં તો નિવેડો કેમ આવે ?

સર્વસ્વ અર્પણતાથી થાય કલ્યાણ

પ્રશ્નકર્તા : આ સર્વસ્વ અર્પણતા જ છે ને, દાદા. શું બાકી રહ્યું? દાદા સિવાય બીજું કશું ખપતું નથી મને કંઈ. દાદાનું જ આલંબન હવે, બીજું કંઈ જ નહીં.

દાદાશ્રી : તો તમારું બાકી છે તે પૂરું થઈ જશે, પણ ગીની એ તો જોઈએ ને ?

પ્રશ્નકર્તા : નહીં, એ નહીં.

દાદાશ્રી : તો કામ થઈ જશે હવે.

પ્રશ્નકર્તા : રાતના બે-ત્રણ વાગે ઊઠી જઉં, ત્યારે દાદાને પકડીને બેસી જઉં.

દાદાશ્રી : એ બધુંય છે પણ આ જે છે ને, આ તમારું ને આ મારું, એ ભેદ ઉડાડવા માટે મેં તમને કહ્યું’તું કે આટલા છે તે દીકરીને આપી દેવા, બાકીનું બધું મંદિરમાં આપી દો ને ! તમારે માથે કશું નહીં, એવું કરી નાખો. વેરોય ભરવાનો નહીં તમારે.

પ્રશ્નકર્તા : ઓહોહો ! હવે વાંધો નહીં, સમજી ગયો.

દાદાશ્રી : મારી માફક રહો. મારે પૈસા જોઈતા હોય તો હું કહું કે નીરુબેન આપો મને. તમારે જરૂરેય શાના માટે ? બધુંય આપનારા લોકો હોય જ જોડે. તે દહાડે કહેલું તે એવા માટે જ કહેલું, પણ મૂળ આશય છે તે તમે પૂરું સમજ્યા નહીં ને !

(પા.૨૨)

પ્રશ્નકર્તા : સમજ્યો તો ખરો, દાદા. પણ બાકીનું દુનિયામાં મારું કોઈ એક જણ નથી. હવે જો આ ઉંમર થાય છે.

દાદાશ્રી : અમે કહ્યું એવું કરો એટલે આત્મા પછી એમાં રહે. આત્મા જો આત્મામાં આવી ગયો ને તો છૂટો, નહીં તો કહેશે, ‘મારે આ છે ને એ છે ને તે આધાર ! આધાર.’ શું આધાર રાખે ? જે બે-પાંચ લાખ રૂપિયા હોય તેનો.

પ્રશ્નકર્તા : નહીં, આટલો ભય રહે. બધા લોકોએ ખા ખા જ કર્યું છે, બીજી વાત નહીં. હવે જ્યાં ભરોસો રાખું, લોકો ખાઈ જાય બધે ઠેકાણે. આ મારે એવો ભય પેસી ગયો. ઉંમર મોટી થાય છે, બાકી અંદર કંઈ મમતા નહીં.

દાદાશ્રી : ભય પેસી જાય. કારણ કે આનું શું કરીશું ? એ તો તે દહાડે હું સમજી ગયેલો પણ મેં કહ્યું, ‘ધીમે રહીને કાઢી નાખશું.’

પ્રશ્નકર્તા : માંદગી આવીને તો દોઢ લાખ રૂપિયા ખર્ચો થયો. હતાં તો ખર્ચ્યા, નહીં તો બીજો કોણ જુએ ?

દાદાશ્રી : નહીં, નહીં. આપણે જે જોનાર છે, એ મારું જોશે એવું માનીએ છીએને, તેય છેવટે ખોટું પડે છે, દગો નીકળે છે. માટે આ ઊંચામાં ઊંચું છે કે આપી દો બધું ભગવાનને ઘેર. પછી જવાબદારી દાદાની. મેં મારી પાસે ચાર આનાય રાખ્યા નથી. બધા અહીં મૂકી દેવાના અને ભવિષ્યમાં આવશે તેય ત્યાં જ. અમારા બાની જમીનના આવવાનાં છે, તેય ત્યાં મૂકીશ. મારે કશું જોઈતું નથી. મારે શેના માટે ? અમેરિકાવાળા ગાડી આપવા માગે છે. હું લઉં શેના માટે ? પણ આ કશું બેઠકની જગ્યા રાખી તો હું, આત્મા ને બેઠક ત્રણ થયું, નહીં તો હું ને આત્મા એક જ. હું સમર્પણ થઈ ગયું એટલે આ (આત્મા જ).

‘હું’નું થયું સમર્પણ, બેઠકમાં જ્ઞાની એક જ

પ્રશ્નકર્તા : દાદા બોલ્યા ને, હું, આત્મા ને બેઠક....

દાદાશ્રી : ‘હું’ને બેઠકનો આધાર ! જગતમાં એકલા જ્ઞાનીને કોઈ વસ્તુનો આધાર ન્હોય. આત્માનો જ આધાર, જે નિરાલંબ છે !

પ્રશ્નકર્તા : કોને આત્માનો આધાર, હુંને હોય કે બેઠકને હોય ?

દાદાશ્રી : હું જ આત્મા અને આત્મા તે હું. આધાર જ આત્માનો. એટલે કોઈ અવલંબન ના હોય, તો નિરાલંબ થાય છે, નિરાલંબ ! એ જાણે છે, દાદા નિરાલંબ છે.

પ્રશ્નકર્તા : એટલે હું ને આત્મા એક થઈ જાય?

દાદાશ્રી : છે એક જ પણ બેઠકને લઈને જુદા.

પ્રશ્નકર્તા : બેઠક ખસેડી લે તો હું ને આત્મા એક થઈ જાય ?

દાદાશ્રી : એક થઈ જાય, બસ.

પ્રશ્નકર્તા : અથવા તો બેઠક હોય અને હું ને આત્મા બે એક થઈ જાય એવું બને ?

દાદાશ્રી : ના, ના, બેઠકનો ગુરખો રાખવો પડે. એ વિચાર આવે કે આ શું કરશે ? બેઠકેય સાચી નીકળી તો નીકળી, નહીં તો દગો નીકળે છે. તમને નથી લાગતું ?

પ્રશ્નકર્તા : હા, દગો જ નીકળે છે.

દાદાશ્રી : એના કરતાં આપણું શું ખોટું ?

પ્રશ્નકર્તા : બેઠકમાં જ્ઞાની એકલા જ રાખવાના, બીજું કંઈ જ નહીં.

(પા.૨૩)

દાદાશ્રી : જ્ઞાનીને માથે પડવાનું, તમે જે કરો એ. તમારું જે હો એ અમારું હો. એટલે જ્ઞાની જ પોતાનો આત્મા છે, એટલે એમને તો જુદા ગણાય નહીં. પછી ભય નહીં રાખવાનો કે જ્ઞાની માંદા થાય તો, એ ના હોય તો આપણે શું કરીશું ? એવો કશો ભય રાખવાનો નહીં. જ્ઞાની મરતા જ નથી, એ તો દેહ મરે. એ અવલંબન અમારું હોય જ નહીં ને! અમે નિરાલંબ હોઈએ !

અર્પણ કર્યું જીવતું ને રહ્યું મડદાલ

દાદાએ જ્ઞાન આપ્યું, અપની કોઈ ચીજ રહી નહીં હવે ! ઊલટું આ મન-વચન-કાયા હતા તે દાદાને સોંપીને આવ્યા, ત્રણ-ત્રણ પોટલાં સોંપી દીધાં. હવે દાદાને સોંપ્યા, તેમને પૂછ્યા સિવાય આપણે વપરાય જ નહીં. આમ જોવા જાય તો અમે છૂટ આપી કે ભઈ, ફાઈલોનો નિકાલ કરજો.

પ્રશ્નકર્તા : મન-વચન ને કાયા, ભાવકર્મ-દ્રવ્યકર્મ ને નોકર્મ દાદાને અર્પણ કરી દઉં છું, પણ પછી પાછો હું તો ભોગવું જ છું. મેં અર્પણ કર્યા કેવી રીતે કહેવાય ?

દાદાશ્રી : જીવતો ભાવ અર્પણ કરી દીધો અને મડદાલ પાસે રહ્યો. એટલે જીવતું મન, જીવતી વાણી ને જીવતો અહંકાર. એ જીવતું બધું અર્પણ કરી દીધું. અને બીજું તમારી પાસે જે રહ્યું એ ફળ આપવા તૈયાર થયેલાં, તેટલાં રહ્યાં તમારી પાસે.

પ્રશ્નકર્તા : આ વાત સમજાય એટલે તો કલ્યાણ થઈ ગયું મોટું.

દાદાશ્રી : આ વાત સમજાય તો ઉકેલ જ આવી ગયો ને ! પણ બધાને સમજાય નહીં ને ! આ તો અક્રમ છે એટલે ચાલ્યા કરે છે. ના સમજાય તોય ચાલ્યા કરે. આ નાના છોકરાનુંય ચાલે છે ને !

‘મારું’ માનતો’તો, તે બધું આપને અર્પણ કરી દીધું. મારા ભાવકર્મ, મારા નોકર્મ, મારા દ્રવ્યકર્મ, મારું મન, મારું શરીર, મારું વચન એ બધું તમને સોંપી દીધું.

પ્રશ્નકર્તા : એ તો એવું હું વિચાર કરતો’તો ને, કે આ બધું અર્પણ કરીએ છીએ ખરાં, પણ કાંઈ દેતાં તો છીએ જ નહીં.

દાદાશ્રી : ના, પણ એ જો સમજમાં બેસી જઈને સોંપે, તો કલ્યાણ જ થઈ જાય. પણ એ સમજમાં બેસે નહીં ને !

સમર્પણ થતા થઈ ગયો ભગવાન

પ્રશ્નકર્તા : દાદાજી, પછી હું વિચારતો’તો કે જેણે આપને દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ સમર્પણ કર્યા, એ કેવો થઈ ગયો ?

દાદાશ્રી : એ તો અસલ થઈ ગયો. પણ હવે પોતાને જૂનો એ અધ્યાસ છે ને, એ અધ્યાસ જતો નથી ને જલ્દી.

પ્રશ્નકર્તા : અને નહીંતર તો સહજ જ થઈ ગયો ને ?

દાદાશ્રી : ભગવાન જ થઈ ગયો. પણ એવું રહેતા આવડવું જોઈએ ને ? એ બાજુ ચારિત્રમોહ નીકળે, તે ઘડીએ એવું રહેતાં આવડવું જોઈએ ને!

પ્રશ્નકર્તા : રહેતા આવડવું જોઈએ એટલે કેવી રીતે રહેવું જોઈએ, દાદાજી ?

દાદાશ્રી : વીતરાગતાથી.

શ્રદ્ધાની મૂર્તિને સર્વ સમર્પણ

એવું છે, આ જગતમાં શ્રદ્ધા આવે ને ઊડી જાય. એક જ્ઞાની પુરુષ એકલા જ એવા છે કે જે શ્રદ્ધાની જ મૂર્તિ, ત્યાં બધાંને શ્રદ્ધા આવી જાય. એમને દેખતાં, વાત કરતાં શ્રદ્ધા આવી જાય. જ્ઞાની

(પા.૨૪)

પુરુષો શ્રદ્ધાની મૂર્તિ કહેવાય. એ તો કલ્યાણ કરી નાખે ! નહીં તોય તમારી શ્રદ્ધા જ ફળ આપે છે.

એટલે શ્રદ્ધા તો, હું ગાળો ભાંડું તોય આવે, એ સાચી શ્રદ્ધા. માનને લઈને થોડીવાર શ્રદ્ધા ચોંટી હોય, પણ તે ઉખડી જાય પછી. અપમાન કરે ત્યાંય પણ શ્રદ્ધા બેસે, ત્યારે એ ચોંટેલી શ્રદ્ધા ઉખડે નહીં. એક ફેરો શ્રદ્ધા બેઠા પછી આપણને ગાળો ભાંડે, માર મારે તોય આપણી શ્રદ્ધા ના તૂટે, એનું નામ અવિચળ શ્રદ્ધા કહેવાય. એવું બને ખરું ? અને એવી શ્રદ્ધા બેઠા વગર મોક્ષ નથી, આ તમને ગેરેન્ટીથી કહું છું.

બાકી, આપણને અનુકૂળ ના આવ્યું અને ઘેર જતા રહ્યા, એનું નામ શ્રદ્ધા જ ના કહેવાય. એટલે તમારી અનુકૂળતા ખોળો છો કે મોક્ષ ખોળો છો? ના અનુકૂળ આવ્યું ને જતા રહ્યા એ શ્રદ્ધા જ કેમ કહેવાય? તમને કેમ લાગે છે? શ્રદ્ધા એટલે તો, સોંપી દીધું બધું!

વ્યવહાર-નિશ્ચયની રક્ષા

પ્રશ્નકર્તા : હું તો આપના ચરણમાં આવી ગયો, છેવટે એ જ રહ્યું, એ જ ઉપાય રહ્યો.

દાદાશ્રી : બસ, એવું કોઈ પણ એડજસ્ટમેન્ટ હોવું જોઈએ આપણું કે નિરંતર આપણી રક્ષા થાય બધી રીતે, વ્યવહાર-નિશ્ચયમાં. વ્યવહારથી ડાઘ પડતા બંધ થાય અને નિશ્ચયથી ડાઘ પડતા બંધ થાય અને બોજા રહિત થઈએ, હલકાં ફૂલ જેવા. અહીં મુક્તિ અનુભવીએ. જેટલા ખૂણા તૂટ્યા, જેટલા ખેંચાણ તૂટ્યા એટલા તો છૂટા થયા ને, મુક્ત થયા ને ! કરોડો જીવો ખેંચે છે આપણને દોરડેથી, અને જેટલાં ખેંચાણ છૂટ્યા, જેટલાં દોરડાં છૂટી ગયા એટલા છૂટા થયા ને ! જેટલા બાકી છે, તે પછી છોડશે. રસ્તો આ છે, આનાથી છૂટી જશે બધું.

દાદાનો અંતિમ સંદેશો, મહાત્માઓને...

કોઇનીય છાયા ના પડે એવી તને દુનિયા બાજુએ મૂકતાં આવડે, તેનું નામ સમર્પણ ભાવ. એટલે કે ‘જ્ઞાની પુરુષ’નું જે થાવ તે મારું થાવ, પોતાનો મછવો તેમનાથી છૂટો જ ના પડવા દે, જોડેલો ને જોડેલો જ રાખે, છૂટો પડે તો ઊંધો પડે ને ? માટે જ્ઞાનીની જોડે જ પોતાનો મછવો જોડેલો રાખવો.

પ્રશ્નકર્તા : તમે પેલો દાખલો બહુ ફાઈન (સરસ) આપ્યો. આ પેલી બિલાડી હોય ને, એ બચ્ચાંને આમ મોઢામાં લઈને જાય અને વાંદરીને વાંદરીના બચ્ચાં ચોંટી પડે.

દાદાશ્રી : ચોંટી પડે, છોડે નહીં. કારણ કે વાંદરી પંદર ફૂટ કૂદે, બચ્ચું તરત જ આંખ મીંચીને ચોંટી રહ્યું હોય. એ બચ્ચું જાણે કે ‘તમારી જવાબદારી નહીં બા, મારી જ જવાબદારી’, એવું વળગે. વાંદરી પડી જાય તોય એને કશું થાય નહીં એવું વળગે, એવું શીખી લેવાનું. પકડાશે ?

પ્રશ્નકર્તા : એવી જ રીતે પકડવાના છે દાદાને.

દાદાશ્રી : પકડીશ ત્યારે ને હજુ ?

પ્રશ્નકર્તા : પકડેલા જ છે દાદાને.

દાદાશ્રી : પકડ્યા છે ? તમે હઉ પકડ્યા છે ને દાદાને ? તમારે મને વળગી પડવાનું, મારે તમને વળગવાનું નહીં. આ બિલાડીના બચ્ચાં મોંઢામાં ઘાલીને લઈ જવા પડે, અને વાંદરીને ? બચ્ચાં ‘મા’ને છોડે નહીં પછી. એ આમ કૂદીને તો પેલું બચ્ચું પેલી બાજુ કૂદે નહીં, એવું પકડી રાખેલું હોય! તમે બધા વાંદરીના બચ્ચાની પેઠે અમને વળગી રહેજો.

જય સચ્ચિદાનંદ