પ્રિજ્યુડીસ, કેટલો જોખમી !

સંપાદકીય

જન્મકુંડળીમાં તો નવ ગ્રહોનું જ સામ્રાજ્ય ચાલતું હોય છે, પણ શું મનુષ્યો ખરેખર એ ગ્રહોથી ગ્રહાયા છે ? શા માટે આ ગ્રહો આપણને નડવા આવે ? આપણે એમનું શું બગાડ્યું છે કે આપણને એ નડે ? હકીકતમાં તો અંદરના નવ ગ્રહો - આગ્રહ, દુરાગ્રહ, મતાગ્રહ, મિથ્યાગ્રહ, હઠાગ્રહ, કદાગ્રહ, સત્યાગ્રહ, પરિગ્રહ, પૂર્વગ્રહ એ બધા નડે છે.

આ આકાશી ગ્રહો તો ચોક્કસ સમયે જ નડે છે, જ્યારે મનકુંડળીમાં માત્ર એક જ ગ્રહ એવો છે જે બીજાં ગ્રહો કરતાંય વધુ નડે છે, તે છે ‘પૂર્વગ્રહ.’ કોઈ વસ્તુ, સંજોગ કે વ્યક્તિ માટે આપણે સાંભળેલી, વાંચેલી હકીકતોને ચકાસ્યા વગર જ અભિપ્રાયમાં બાંધી લઈએ છીએ. ધીરે ધીરે એ પૂર્વગ્રહમાં પલટાઈ જાય છે, આવા પૂર્વગ્રહો પછી કુંડળીના ગ્રહો કરતાંયે વિકરાળ પરિણામ ઊભા કરે છે.

એક માણસને માટે એકનો એક ઓપિનિયન (અભિપ્રાય) રાખવો એ પ્રિજ્યુડીસ કહેવાય, એટલે કે અભિપ્રાયનો ગુણાકાર. પૂર્વગ્રહ એટલે એક પ્રકારનો દ્વેષ છે. એ પાપ બંધાવે છે, એટલે બહુ જોખમી છે. આ પ્રિજ્યુડીસ રાખવાથી આગળ જતા એ શંકામાં પરિણમે છે. શંકા એ મોટી નિર્બળતા છે, આત્મઘાતી છે. શંકા થતા જ સામા માટે મોટી જુદાઈ પડી જાય છે. અભિપ્રાય એ તંતીલી વાણીનું કારણ છે, જ્યારે શંકા એ પ્રિજ્યુડીસનું કારણ છે.

અત્રે પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) ઉદ્બોધિત પ્રિજ્યુડીસ સંબંધી વાણીનું સંકલન થયું છે. જેમાં પ્રિજ્યુડીસ એટલે શું ? એ થવાનું કારણ, એની સામા પર થતી અસરો, એના જોખમો, એમાંથી છૂટવાના ઉપાયો વગેરેનું ઊંડાણથી વિશ્લેષણ થયેલ છે. આ પ્રિજ્યુડીસને લઈને સંસાર ખડો છે. દાદા કહે છે કે પહેલાનું જજમેન્ટ છોડી દો, એ તો બદલાયા જ કરે. ચોર આપણા દેખતા ચોરી કરે તોય પછી તેના પર પૂર્વગ્રહ રાખવો એ ગુનો છે. આ તો બહુ ઝીણું સાયન્સ છે.

આખું જગત પ્રિજ્યુડીસમાં જ છે. એક ક્ષણવાર પણ ભાન નથી, બેભાન અવસ્થામાં વર્તે છે. આ પૂર્વગ્રહને લઈને તો જગત માર ખાય છે અને તેને લઈને દોષ બેસે છે. તેથી તો આ દુઃખો છે ને, નહીં તો વર્લ્ડમાં દુઃખો કેમ હોય ?

ભગવાને કહ્યું કે જેને પોતાનામાં કોઈ ગ્રહ નથી, એને બહારના ગ્રહો શું અસર કરે ? હવે જ્ઞાનપ્રાપ્તિ પછી મોક્ષમાર્ગે આગળ વધવા માટે મહાત્માઓનું જીવન પૂર્વગ્રહ રહિત થાય તો જ કલ્યાણ થાય અને મોક્ષના અંતરાય તૂટે. સહુ મહાત્માઓને જાગૃતિપૂર્વકના પુરુષાર્થથી પૂર્વગ્રહ રહિત જીવનથી પરમાત્મા પદ તરફ પગલા મંડાય એવી અભ્યર્થના.

~ જય સચ્ચિદાનંદ.

(પા.૪)

પ્રિજ્યુડીસ, કેટલો જોખમી !

જીવન પર ગ્રહોની અસર

પ્રશ્નકર્તા : માનવજીવન ઉપર આ ગ્રહોની શું અસર પડે છે ?

દાદાશ્રી : એ જે ગ્રહો છે ને, એ તો એમના સ્વભાવમાં રહેલા છે. પણ આપણી મહીં જે ગ્રહો છે ને, એની અસર છે અને એ ગ્રહો ને આ ગ્રહો બધા તારથી જોઈન્ટ થયેલા છે.

ગ્રહ એટલે ગુનો કરીએ તો આપણને પોલીસવાળા પકડે. એ ગયા અવતારના ગુના હોય, તે એના હાથમાં આવ્યા તો ફળ આપે. ગ્રહોને ને આપણે શું લેવાદેવા ? તેય ભગવાને કહ્યું કે ‘જેને પોતાનામાં ગ્રહ નથી એને બહારનો ગ્રહ શું અસર કરે ?’ ત્યારે કહે, ‘ગ્રહ વગરના મનુષ્ય જ ના હોય ને ?’ ત્યારે કહે, ‘અમારે ત્યાં તીર્થંકરો થઈ ગયા ગ્રહ વગરના.’ અરે, રાવણ ગ્રહ વગરના હતા. ‘કેવા હતા રાવણ ? શાસ્ત્રવેત્તા,નવે ગ્રહો નિકટમાં રહેતા.’ પોલીસવાળાની પેઠ રહેતા હતા ગ્રહો. અમારામાં એ ગ્રહ નહીં, ત્યારે એ કેવી મઝા હશે ! ગ્રહ જ નહીં અમારામાં.

આપણા જ ગ્રહો આપણને નડે

પ્રશ્નકર્તા : કોઈવાર એમ કહે છે કે શનિનો ગ્રહ નડે, મંગળ નડે, તો ગ્રહોની અસર આવી થાય, એ શું છે બધું ?

દાદાશ્રી : એવું છે ને, ગ્રહો ક્યાં સુધી નડે ? તમારામાં ગ્રહ હોય ત્યાં સુધી એ ગ્રહો નડે. તમારા ગ્રહજતા રહેશે એટલે પછી છે તે તમને નડશે નહીં કશુંય. હવે તમારામાં કયા કયા ગ્રહો છે એ તમને કહું ? જુઓ, મતાગ્રહ, કદાગ્રહ, સત્યાગ્રહ, આગ્રહ, પૂર્વગ્રહ, પરિગ્રહ, દૂરાગ્રહ, હઠાગ્રહ અને મિથ્યાગ્રહ - આ નવ ગ્રહો તમારા દેહમાં જ છે.

પ્રશ્નકર્તા : ઉપરના ગ્રહો નથી નડતા ?

દાદાશ્રી : ઉપરના કોઈ ગ્રહો નથી નડતા. એ બિચારા દેવીઓવાળા છે, એમને દેવીઓ છે. અે શું કરવા અહીં નડવા આવે લોકોને ? એ ગ્રહો ઉપરના, શનિનો ગ્રહ, શુક્રનો ગ્રહ ! જે બ્રહ્માંડમાં ગ્રહો છે એના એ જ ગ્રહો આપણી અંદર પીંડમાં છે. તે આપણા જ ગ્રહો આપણને નડે છે. હઠાગ્રહ થાય તો જાણવું કે શનિનો ગ્રહ નડે છે. મહીં શનિનો ગ્રહ છે તે અત્યારે એનો અમલ ચાલુ થઈ ગયો છે.

હવે એ ગ્રહોનું કેવું છે ? કે તમારામાં ગ્રહો હોય તો એ ગ્રહોને તાર જોઈન્ટ હોય. ગ્રહો તમને નડે નહીં, તમારો ગુનો જ નડે છે. ગુનો કર્યો હોય ને, તો જ પોલીસ એને પકડે. એટલે એમને કંઈ એવું નથી કે આને જ પકડવો. એમને જે ફરજ છે ને, તે બજાવવાની. એવું આ ગ્રહોને એમની ફરજ બજાવવાની હોય. એટલે તમારા ગ્રહો જો બંધ થઈ જાય તો એ લોકો તમારું નામ ના લે.

બધા ગ્રહોમાં મોટો ગ્રહ - પૂર્વગ્રહ

પ્રશ્નકર્તા : પૂર્વગ્રહ એ પણ ગ્રહ જ કહેવાય ?

દાદાશ્રી : એ તો બહુ મોટો ગ્રહ, પૂર્વગ્રહ તો બહુ મોટો. એનો અંગ્રેજી શબ્દ ‘પ્રિજ્યુડીસ’ છે.

બધા ગ્રહો બિસ્તરા-પોટલા લઈને ચાલ્યા જાય તોય પૂર્વગ્રહ કહેશે, ‘અમારે હજુ વાર છે.’ પેલા બિસ્તરા-પોટલા લઈને ચાલ્યા જાય, પણ આને શરમ ના આવે. આપણે કહીએ કે ‘આ બિસ્તરા-પોટલા લઈને જાય છે, તું જા, જતો રહે ને ! છેવટે આબરૂ તારી નહીં રહે. આ બધાની આબરૂ ગઈ એમ તારી જતી રહેશે.’ ત્યારે કહે, ‘ભલે આબરૂ જાય, પણ આ ઘર-બર છોડે એ જુદા.’

(પા.૫)

ઓળખીએ પૂર્વગ્રહને

પ્રશ્નકર્તા :હવે આ પ્રિજ્યુડીસ શું છે ?

દાદાશ્રી : એય એક જાતનો અભિપ્રાય જ છે. એક માણસને માટે એકનો એક ઓપિનિયન (અભિપ્રાય) રાખવો એ પ્રિજ્યુડીસ કહેવાય.

આ પ્રિજ્યુડીસ કોને કહેવાય ? એક માણસ આજે ગજવામાંથી દોઢસો રૂપિયા લઈ ગયો. ઘરના માણસ કહે, ‘પેલો માણસ હાથ ઘાલતો’તો.’ એટલે આપણે જાણી ગયા. પછી બીજે દહાડે એ માણસ આવે અને તમે જે ઓપિનિયન આપો એ પ્રિજ્યુડીસ કહેવાય છે.

અભિપ્રાયનો ગુણાકાર એ જ પ્રિજ્યુડીસ

પ્રશ્નકર્તા : તો એ પ્રિજ્યુડીસ એ જ અભિપ્રાયને ?

દાદાશ્રી : ના, એ બે જરા જુદી વસ્તુ છે. પ્રિજ્યુડીસ તો અભિપ્રાયનો ગુણાકાર થયેલો. મલ્ટિપ્લિકેશન (ગુણાકાર) થયેલો અભિપ્રાય કહેવાય.

પ્રશ્નકર્તા : પૂર્વગ્રહ અને અભિપ્રાય બન્નેમાં ફેર શું ?

દાદાશ્રી : પૂર્વગ્રહ એ ખોટો અભિપ્રાય આપીએ છીએ અને પેલો અભિપ્રાય પણ ખરેખર કંઈક છે.

પ્રશ્નકર્તા : અભિપ્રાય અને પ્રિજ્યુડીસ એ બેની વચ્ચે શું તાત્ત્વિક તફાવત છે ?

દાદાશ્રી : એ બહુ લાંબો ફેર નથી એમાં. એ જે અભિપ્રાય બાંધે ને, તેનું તે જ પ્રિજ્યુડીસ થયું છે. અભિપ્રાય તો આપણે બાંધીએ છીએ ને, કે ‘આજે કઢી ખારી છે.’ એ અભિપ્રાય આપ્યો કહેવાય. કાલે એવો ના આપીએ. ખાતા પહેલા એવો ના આપીએ અભિપ્રાય. અને પ્રિજ્યુડીસ એટલે તો, પછી બીજે દહાડે એવું જ માનવાનો હોય તો પ્રિજ્યુડીસ કહેવાય. બીજે દહાડે, ત્રીજે દહાડે, ઠેઠ સુધી.

ઓપિનિયન અને પ્રિજ્યુડીસની ભેદરેખા

પ્રશ્નકર્તા : અભિપ્રાય અને પૂર્વગ્રહ એ બે જરા દાખલા આપીને સમજાવો, કે અભિપ્રાય કોને કહેવાય અને પૂર્વગ્રહ કોને કહેવાય ?

દાદાશ્રી : ખરેખર કઢી ખારી હોય અને આપણે ખારી કહીએ તે અભિપ્રાય કહેવાય. અને આપણને ઘરના જોડે પૂર્વગ્રહ પડી ગયેલો હોય કે ‘આ કોઈ દહાડો રસોઈ સારી બનાવતી નથી.’ એટલે પછી આપણે કહીએ, ‘બળ્યું આ કઢું... કઢામાંય બરકત નહીં, કશામાં બરકત નથી તમારે’, એ પૂર્વગ્રહ કહેવાય.

પ્રશ્નકર્તા : બેમાંથી નુકસાનકારક કયું વધારે ?

દાદાશ્રી : પૂર્વગ્રહ.

પ્રશ્નકર્તા : હવે પૂર્વગ્રહ શું નુકસાન કરે અને અભિપ્રાય શું નુકસાન કરે ?

દાદાશ્રી : પૂર્વગ્રહ તો પાપ બંધાવે.

પ્રશ્નકર્તા : અને અભિપ્રાય ?

દાદાશ્રી : અભિપ્રાય તો જેવો જેના પર મૂકીએ તેનો આપણને દોષ બંધાય પણ પેલું પાપ ના બંધાય. પૂર્વગ્રહ તો જેના નિમિત્તે કરીએ એના તરફનો એક જાતનો દ્વેષ છે, એટલે એ તો બહુ જોખમ. પૂર્વગ્રહ ના હોવો જોઈએ મહાત્માઓને.

પૂર્વગ્રહ રાખશો નહીં

પ્રશ્નકર્તા : પૂર્વગ્રહ એ અભિપ્રાયનું પરિણામ છે ને ?

(પા.૬)

દાદાશ્રી : માન્યાનું. આ ભાઈ ત્રીસ વર્ષના હતા, તે કોઈકના ગજવામાંથી પૈસા ચોરી લીધા હોય વખતે, પછી ફરી એ આપણે ઘેર આવે ત્યારે ચોર કહેવાય નહીં, મનાય નહીં.

પ્રશ્નકર્તા : એ પૂર્વગ્રહ સાચો ન પણ હોય, ખોટો પણ હોય.

દાદાશ્રી : એ સાચો હોય તોય શું ને ના હોય તોય શું ? આપણાથી કેમ કરીને માની લેવાય ? ભગવાને ના કહ્યું છે, પ્રિજ્યુડીસ રાખશો નહીં કે ‘આ આમ જ છે’, એવું માનશો નહીં. અમે કોઈનેય એવો માન્યો નથી.

પ્રશ્નકર્તા : ન માનવું એ બહુ મહાનતા છે ને ! એ તો બહુ મહત્વની વસ્તુ બની ગઈ.

દાદાશ્રી : એ તો જ્ઞાનનો પ્રતાપ છે ને ! જ્ઞાન હોય તો જ એ રહે ને ? પણ અમારા કહ્યા પ્રમાણે, તમે એને ના માનો તો તમારું કલ્યાણ થઈ જાય. તમે ના માનો આવું. એ તો કર્મના આધીન છે, એમાં એનો ગુનો નથી.

ભલે અહીં ત્રણ ચોર બેસી રહ્યા હોય, પણ આપણું કશું જવાનું હોય તો જ જાય ને, નહીં તો જાય નહીં ને ! તમારે ગભરાવાનું કોઈ કારણ નથી.

માનીએ દંડ, નીકળે રીફંડ

એક ભાઈને ત્યાં હું ગયો હતો. તે કહે, ‘દાદાજી, આ રોજ કકળાટ હોય છે !’ ત્યારે મેં કહ્યું, ‘શું છે ભઈ ? આ કકળાટ શેને માટે ?’ ઈન્કમટેક્ષનો પેલો માણસ કાગળ આપવા આવે. હવે એ કાગળ આપવા ના આવે બિચારો ? એ વીતરાગ હશે કે રાગ-દ્વેષવાળો હોય ? એમને શું દેવાનો અધિકાર ? એ તો જેનો હોય તેને પહોંચાડી દે, એની સાથે શું કકળાટ કરવાનો ? ત્યારે એ કહે, ‘આ મૂઓ પાછો અત્યારે આવ્યો. એ ના આવે તો મને શાંતિ હતી. હમણાં જમવા જવાનું. મારે પાછું જમવાનું નહીં ફાવે.’ અલ્યા, પણ કાગળ લે ને મહીં શું છે તે જો. મોકલનારનો શો દોષ છે એ જો અને તારો શો દોષ છે એ જો, પછી ન્યાય કર ને ! ત્યારે કાગળ ફોડ્યો તો રીફન્ડ નીકળ્યું !

જુઓ ને, ઈન્કમટેક્ષવાળાને ગાળો દીધી પણ રીફન્ડ નીકળ્યું ! એ જાણે કે સાહેબનો દંડ આવ્યો હશે અને નીકળ્યું રીફન્ડ ! ત્યારે કંઈ ઈન્કમટેક્ષના ઑફિસરને તમને કંઈ દંડ કરવાનો અધિકાર છે ? ત્યારે કહે, ‘દેખાતો અધિકાર છે.’ પણ એય કર્મના આધીન છે. તમારો હિસાબ હશે તો જ એનાથી દંડ કાઢી શકાય.

શું માનેલું ભૂલવાળું હોઈ શકે ?

એક માણસ બે-ત્રણ વખત કોઈ માણસના પૈસા ઉછીના લેવા ગયો હોય અને ચોથે વખતે એને ત્યાં જાય, તે ઘરમાં પેસતાં જ પેલો માણસ છે તે અભિપ્રાયને લીધે મનમાં સમજી જાય કે ‘આ પાછો લેવા આવ્યો.’ હવે તે વખતે પેલો શું કરવા આવ્યો હોય? કે ‘ચાલો, મારા કાકાએ તમને જમવા બોલાવ્યા છે.’ હવે આપણને જમવા બોલાવવા આવ્યો હોય, અને આપણે આવું માની બેસીએ ! તે સમજ પડે કે આપણું માનેલું ભૂલવાળું છે ? તમને કેમ લાગે છે? થાય ખરી ભૂલ ?

પ્રશ્નકર્તા : હા, થાય ને ! એવું બને.

દાદાશ્રી : આપણે એમ જ જાણીએ ‘લેવા આવ્યો આ.’ પણ એ શું કહે ? ‘હેંડો, જમવા બોલાવે છે મારા કાકા.’ બોલો, હવે તે વખતે કોણ આ ગુનાનો દંડ આપે તમને ? એ ગુનો સિલક રહ્યો. તરત ને તરત જો દંડ મળતો હોય તો સિલક રહે નહીં. તે આવા નર્યા ગુના ભરેલા છે. આ અભિપ્રાય એટલે પ્રિજ્યુડીસ.

(પા.૭)

પ્રિજ્યુડીસ રાખતા મન થાય કડવું

પ્રશ્નકર્તા : ગુનો એટલે આણે અભિપ્રાય આપ્યો તે. હવે એક બાજુ આપણે કહીએ છીએ કે અભિપ્રાયથી મન બંધાય છે, તો આ જે અભિપ્રાય કહ્યો કે આ માણસ ફરી પૈસા માગશે, તો એનાથી મન બંધાઈ રહ્યું છે ? એ રીતે આવા ગુનાઓ થયા કહેવાય ?

દાદાશ્રી : મન બંધાયું એ ગુનો તો આવતા ભવે મળે છે, પણ અત્યારે તમે અભિપ્રાય રાખ્યો તેનું તરત ફળ મળે. પ્રિજ્યુડીસ રખાય જ નહીં.

પ્રશ્નકર્તા : તરત ફળ મળે એ કેવી રીતે મળે ?

દાદાશ્રી : મહીં આપણું મન કડવું થઈ જાય. એ અશાતા વેદનીય આપે, પ્રિજ્યુડીસ રાખ્યું તેનું.

અભિપ્રાય બાંધે તેવું ના પણ હોય

હવે એ માણસ આપની પાસે પાંચ વખત માગવા આવ્યો, માટે છઠ્ઠી વખત માગવા જ આવશે એવું કેમ મનાય?

પ્રશ્નકર્તા : પહેલાં પાંચ વાર માગવા આવ્યો, તે ઘડીએ પણ એના મનમાં અભિપ્રાય તો ઊભાં થયેલા જ હોવા જોઈએ. કંઈક તો થયેલું હોવું જ જોઈએ. એટલે તે વખતે એણે ચોખ્ખું કર્યું નહીં અને છઠ્ઠી વખતે એણે સિક્કો મારી દીધો એટલે અભિપ્રાય બેઠો ?

દાદાશ્રી : ના, પાંચેય વખત અભિપ્રાય એને બેસી જ ગયેલો હોય. દર ફેરે લેવા આવ્યો તો ‘આ પાછો આવ્યો’ એમ કહીને પછી આપે. ફરી પાછો છઠ્ઠી વખતે લેવા આવે ત્યારે ‘જો પાછો પેલો આવ્યો’ કહે. હવે તે દહાડે તે પૈસા લેવા ના આવ્યો હોય, અહીં જમવા માટે બોલાવવા આવ્યો હોય. કારણ કે ભગવાને શું કહ્યું કે તું અભિપ્રાય બાંધું છું, તેવું નથી. એ કર્મના ઉદય આધીન છે. એટલે આજે એવું ના પણ હોય.

અભિપ્રાય એ જ બંધન

પ્રશ્નકર્તા : ઘણાં માણસો એવા હોય છે કે જેને માટે અભિપ્રાય બંધાયેલા હોય કે ‘આ માણસ સારો છે, આ લબાડ છે, આ લુચ્ચો છે, આ કાતરવા જ આવ્યો છે.’

દાદાશ્રી : અભિપ્રાય બંધાય એ જ બંધન. અમારા ગજવામાંથી કાલે કોઈ રૂપિયા કાઢી ગયો હોય અને આજે એ પાછો અહીં આવે તો અમને શંકા ના રહે કે એ ચોર છે. કારણ કે કાલે એના કર્મનો ઉદય એવો હોય. આજે એનો ઉદય કેવો હોય, તે શું કહેવાય ?

કો’કને માટે અભિપ્રાય રાખવો એ જ આપણું બંધન છે ને કોઈના અભિપ્રાય રહ્યા નહીં એ આપણો મોક્ષ છે. કો’કને ને આપણને શું લેવાદેવા? એ એનાં કર્મ ભોગવી રહ્યા છે, આપણે આપણાં કર્મ ભોગવી રહ્યા છીએ. સૌ સૌનાં કર્મ ભોગવી રહ્યા છે. એમાં કોઈને લેવાદેવા જ નથી. કોઈનો અભિપ્રાય બાંધવાની જરૂર જ નથી.

આપણી જ ભૂલનું પરિણામ

કોઈ તીનપત્તીવાળો જુગારી અહીં આવ્યો હોય અને તમારો તેના પર અભિપ્રાય બેસી ગયો હોય કે ‘આ તીનપત્તીવાળો છે,’ તો એ અહીં બેઠો હોય તેટલી વાર તમને મહીં ખૂંચ્યા કરે. બીજા કોઈને ના ખૂંચે, તેનું કારણ શું ?

પ્રશ્નકર્તા : બીજા જાણતા નથી કે ‘આ તીનપત્તીવાળો છે’ માટે.

દાદાશ્રી : બીજા જાણે છે પણ અભિપ્રાય બેસાડતા નથી અને તમને અભિપ્રાય બેઠેલો તેથી ખૂંચે. તે અભિપ્રાય આપણે છોડી નાખવા જોઈએ.

(પા.૮)

આ અભિપ્રાય આપણે જ બાંધ્યા, માટે એ આપણી જ ભૂલ છે. તેથી એ ખૂંચે છે. સામો એમ નથી કહેતો કે મારે માટે અભિપ્રાય બાંધો. આપણને ખૂંચે એ તો આપણી જ ભૂલનું પરિણામ છે.

પાછલા અભિપ્રાય પરિણમે પૂર્વગ્રહમાં

જો અભિપ્રાય બંધ થઈ જાય તો મન બંધ થઈ જાય. ઓપિનિયન ઈઝ ધી ફાધર ઑફ માઈન્ડ (અભિપ્રાય એ મનનો પિતા છે). આ તો ઓપિનિયન એકલા નહીં, પાછા પ્રિજ્યુડીસવાળા, કેવા ?

પ્રશ્નકર્તા : હા, પ્રિજ્યુડીસવાળા, પૂર્વગ્રહ.

દાદાશ્રી : ઓપિનિયન એકલો હોય તો તો સારું પણ પ્રિજ્યુડીસ પાછા. પરમ દિવસે ચોરી કરી ગયો’તો, એ માણસ આવતા પહેલા આપણે કહીએ કે આ પાછો ચોર આવ્યો. એવું ના બોલાય આપણાથી. આજે ચોરી કરશે કે કેમ એવી તમને શું ખાતરી છે ? તમને કંઈ ભવિષ્યવાણી થઈ છે ? ભવિષ્યજ્ઞાન થયું છે ? તે પ્રિજ્યુડીસ કહેવાય. હવે તે દહાડે બિચારો બેસીને પાછો ગયો હોય, આપણે બહાર કે અંદર ગયા હોય તોય કશું ના લે.

પ્રશ્નકર્તા : કોઈ વસ્તુને જાણ્યા સિવાય એનો મત બાંધવો એનું નામ ‘પ્રિજ્યુડીસ’ ?

દાદાશ્રી : ના, એવું નથી. આ ભાઈ કાયમ દાન આપે છે અને આજેય તે દાન આપશે એવું માનવું એ ‘પ્રિજ્યુડીસ’ છે. કોઈ માણસ રોજ આપણને લપકા કરી જતો હોય ને આજે જમવા બોલાવવા આવ્યો હોય તોય એને દેખતાં જ વિચાર આવે કે આ લપકા કરશે, તે ‘પ્રિજ્યુડીસ’.

ઓપિનિયનનો એક્કો એ પ્રિજ્યુડીસ

આખું જગત પ્રિજ્યુડીસમાં જ છે. ભાન જ નથી ને, હું શેમાં છું એ ! એક ક્ષણવાર પણ ભાન નથી. ભલભલા બુદ્ધિશાળીઓને પણ પોતાને ભાન નથી.

હવે છે તે કોર્ટોમાં પ્રિજ્યુડીસ રાખવાનો અધિકાર નથી એ લોકોને, ગુનેગાર હોય યા ના પણ હોય. છતાંય મનુષ્યનો સ્વભાવ છે, પ્રિજ્યુડીસની બહાર જઈ શકે નહીં. બધાય જજોને પ્રિજ્યુડીસ તો ના જ હોય ને ? આગલે દહાડે લઈ ગયેલો હોય ને બીજે દહાડે આવે તો જજોને પ્રિજ્યુડીસ તો થાય જ નહીં ને ?

પ્રશ્નકર્તા : ન થવો જોઈએ, દાદા.

દાદાશ્રી : કારણ કે જજ હંમેશાંય પ્રિજ્યુડીસ વિરોધી હોય. ઊલટા વકીલોને તરછોડ મારે કે ‘તમને પ્રિજ્યુડીસ છે,’ એને એમ લાગે ત્યારે. એવા એ વિરોધી હોય, છતાંય પોતાને ત્યાં આવે તો પાછો પ્રિજ્યુડીસ.

પ્રશ્નકર્તા : દાદા, એટલા માટે વ્યવહારમાં એક વસ્તુ મૂકી છે કે એક બીજાની સાથે નેગોશિએશન (વાટાઘાટ) ચાલતા હોય, તેના ઉપર એવું લખવામાં આવે છે કે ‘વિધાઉટ પ્રિજ્યુડીસ’ (વિના પૂર્વગ્રહ).

દાદાશ્રી : વિધાઉટ પ્રિજ્યુડીસ. આ જે કોર્ટમાં પ્રિજ્યુડીસ કહેવામાં આવે છે એ સ્થૂળ પ્રિજ્યુડીસ. એ સૂક્ષ્મને તો એ જજોય ના સમજે ને ? એ તો સ્થૂળની વાત કે ભઈ, આ વકીલને કહે કે તમે કાયમનો આવો કેમ માની લો છો ? પ્રિજ્યુડીસ કેમ રાખો છો ? કાલે સવારે ફેરફાર થઈ ગયો હોય ! પણ એ તો સ્થૂળ વાત.

અભિપ્રાય એક પ્રકારનો પૂર્વગ્રહ કહેવાય છે. એ જજોનેય ખબર નથી કે અભિપ્રાય પ્રિજ્યુડીસ છે. આજ બધા હાઈકોર્ટના જજ બધાને ખોળે તો પછી કહ્યા પછી સમજણ પડે ! આપણે કહીએ કે પ્રિજ્યુડીસના પ્રકાર કેટલી જાતના હોય ? તો એવું

(પા.૯)

કહે ત્યારે અભિપ્રાય ના આવે. એને (જજ) શું કહે છે ? ‘ધેર ઈઝ માય ઓપિનિયન’ (તે મારો અભિપ્રાય છે.) કહે છે. ઓહોહો ! ઓપિનિયનનો મોટો એક્કો આવ્યો ! એ પ્રિજ્યુડીસ છે !

અભિપ્રાય આપ્યો એ બધો પ્રિજ્યુડીસ જ છે. જગત ઊંડું ઊતરતું નથી. એટલે અભિપ્રાયને ઓપિનિયન કહે છે એટલે ચાલ્યા જ કરે છે ગાડું.

પ્રશ્નકર્તા : પણ ખરેખર એ પ્રિજ્યુડીસ હોય.

દાદાશ્રી : ખરેખર એ પ્રિજ્યુડીસ !

શંકાથી આપેલ અભિપ્રાય એ જ પ્રિજ્યુડીસ

એ આ બધા જજેય અભિપ્રાય આપે કે ના આપે ? ત્યારે જજ પ્રિજ્યુડીસમાં ના હોય, નહીં ? અભિપ્રાય આપવું એ જ પ્રિજ્યુડીસ છે. એક જજને કહ્યું તો ગભરાઈ ઊઠ્યા. મેં કહ્યું, આ પ્રિજ્યુડીસના ભરેલા છો, અને શું જોઈને કહો છો, કે અમને પ્રિજ્યુડીસ ના હોય ? અભિપ્રાય એ જ પ્રિજ્યુડીસ છે. ત્યારે જજમેન્ટ આગળ થયેલું હતું, ને આજે તમે અભિપ્રાય આપો છો. જજમેન્ટ કાલે થયું’તું. હેતુ કાલનો હતો, અને આજ તો ફેરફાર થઈ ગયો હોય માણસને.

તમને સમજાયુંને અભિપ્રાય એ જ પ્રિજ્યુડીસ છે ? સમજાયું તમને ?

પ્રશ્નકર્તા : અભિપ્રાય એ જ પ્રિજ્યુડીસ છે, એ કેવી રીતે બને ?

દાદાશ્રી : અભિપ્રાય એ જ પ્રિજ્યુડીસ. ગઈકાલે ચોરી કરી’તી. આ જ ચોર છે કે નહીં, એ જાણ્યા સિવાય આપણે અભિપ્રાય આપીએ.

પ્રશ્નકર્તા : જાણ્યા સિવાય કેમ ? બધા એવિડન્સ ભેગા કરીને આપેને.

દાદાશ્રી : ના, એમ નહીં. ગઈ કાલે ચોરી કરી’તી. આજે તમે શંકા કરો તો પ્રિજ્યુડીસ કહેવાય. અને શંકા ઉપરથી અભિપ્રાય આપો એ પ્રિજ્યુડીસ કહેવાય.

એવિડન્સ જોઈએ તો તો એને શંકા કહેવાય છે. કારણ કે એ પુસ્તક બોલી શકે, માણસ ના બોલી શકે. પુસ્તક જજમેન્ટ આપી શકે. માણસ ના બોલી શકે એવું. માણસ બોલે તો એને પ્રિજ્યુડીસ કહેવાય. એક મિનિટ પછી પણ પ્રિજ્યુડીસ કહેવાય છે એને.

શંકા ઊભી થઈ ત્યાંથી પ્રિજ્યુડીસ

પ્રશ્નકર્તા :પ્રિજ્યુડીસ એટલે કોઈના તરફ પહેલા શંકાની દ્રષ્ટિએ જુએ. વહેમની દ્રષ્ટિએ જુએ એ પ્રિજ્યુડીસ ?

દાદાશ્રી : હા, એ પ્રિજ્યુડીસ કહેવાય. શંકા ઊભી થઈ એ પ્રિજ્યુડીસ કહેવાય. ગઈ કાલે આ લઈ ગયો હતો ને એ આજે આવ્યો એ શંકા ઊભી થઈ ત્યાંથી પ્રિજ્યુડીસ કહેવાય.

આ તો જોયો હોય તો પ્રિજ્યુડીસ ઊભો થાય, પણ જોયો ના હોય તોય પ્રિજ્યુડીસ હોય છે. કોઈએ કહ્યું હોય ને તોય પ્રિજ્યુડીસ હોય. કોઈએ કહ્યું હોય કે ‘અમુક માણસ જ લઈ ગયો હશે.’ હશે એવું બોલ્યો તોય પણ આ પ્રિજ્યુડીસ ઊભો થઈ જાય. કેમ આવા ભયંકર ન્યાયનું તોલન કરી શકાય ? કેટલી જોખમદારી ! ચોર ઠરાવવો.

શંકા કરવી એ ગુનો

પ્રશ્નકર્તા : હવે અમારે અભિપ્રાય ક્યાં બંધાય છે, વ્યવહારમાં બંધાય છે. આ તો એવું બને કે મને ખબરે પણ ના હોય ને કહેશે, આ ચંદુલાલને કહ્યું છે, તમને ૫૦૦૦ રૂપિયા આપી ગયા ને ? ત્યારે મને ખબરેય ના હોય કે આ મારા નામે ખોટું બોલીને આવ્યો છે. એટલે પછી અભિપ્રાય પડે કે આ જૂઠો છે; ખોટો છે.

(પા.૧૦)

દાદાશ્રી : ભગવાને તો એટલે સુધી કહ્યું છે કે ગઈ કાલે આપણા ગજવામાંથી સો રૂપિયા એક માણસ લઈ ગયો ને આપણને અણસારાથી કે આજુબાજુના વાતાવરણથી એ ખબર પડી. પછી બીજે દહાડે એ આવે તો એના પર દેખતાંની સાથે શંકા કરવી એ ગુનો છે.

પ્રશ્નકર્તા : અને આ અભિપ્રાય રહે છે કે આ જૂઠો છે, તો એ ગુનો છે ?

દાદાશ્રી : શંકા કરવી ત્યાંથી જ ગુનો ઉત્પન્ન થાય છે. ભગવાને શું કહ્યું છે કે ગઈકાલે એના કર્મના ઉદયથી ચોર હતો ને આજે ના પણ હોય, આ તો બધું ઉદય પ્રમાણે છે.

પ્રશ્નકર્તા : એમ નથી, આ તો એક માણસ પોતાનો કોઈ બીજો લેણદાર હોય, એને એમ કહેશે, ‘મેં ચંદુભાઈને કહ્યું છે, એમણે તમને પૈસા મોકલી આપ્યા છે.’ ત્યારે થાય કે હું તને મળ્યો નથી, તું મને મળ્યો નથી ને આટલું જૂઠું બોલે છે ? મારે આવું બને, ત્યાં હવે કેવી રીતે વર્તવું?

દાદાશ્રી : હા, એવું બધું ખોટુંય બોલે, પણ એ બોલ્યો શાથી ? કેમ બીજાનું નામ ના દીધું ને ચંદુભાઈનું જ દે છે ? માટે આપણે કંઈક ગુનેગાર છીએ. આપણા કર્મનો ઉદય એ જ આપણો ગુનો છે.

વ્યવહારમાં સાવધ, પણ ‘નો પ્રિજ્યુડીસ’

પ્રશ્નકર્તા : આ તો બહુ મુશ્કેલ વસ્તુ છે. વ્યવહારમાં તો પ્રિજ્યુડીસ રાખવું જ પડે ને ?

દાદાશ્રી : અમે ના રાખીએ.

પ્રશ્નકર્તા : ઓપિનિયન તો રાખવો જ પડેને. કોઈ આપણા દસ હજાર લઈ ગયો હોય અને પાછા ના આપતો હોય તો પછી પાછા આપવાના, ફરીવાર લેવા આવે તો?

દાદાશ્રી : તમારે ઓપિનિયન રાખવાનો નહીં, સાવચેત રહેવું. સાવધ રહેવાનો તમને અધિકાર છે, પણ પ્રિજ્યુડીસ રાખવાનો અધિકાર હોતો નથી.

પ્રશ્નકર્તા : કોઈ માણસ આપણી પાસેથી દસ હજાર લઈ ગયો અને પછી આપણને આપે નહીં, છેતરી ગયો. પછી ફરી આપણી પાસેથી દસ હજાર લેવા આવે તો આપણે એને આપી દેવા કે ?

દાદાશ્રી : ના, ના આપવા.

પ્રશ્નકર્તા : કેમ ના આપવા ? આપણને તો પ્રિજ્યુડીસ છે નહીં, તો પછી કેમ આપવા નહીં એને ?

દાદાશ્રી : એ એમ પ્રિજ્યુડીસ ના ગણાય. એને આપવા નહીં, એ વસ્તુ તો આપણી મરજી મુજબની છે. પ્રિજ્યુડીસ નહીં રાખવાનો.

સાવચેતીની રીત શીખવે દાદા

કોઈ આપણને દગો કરી ગયો હોય, એ આપણે સંભારવાનું ના હોય. અત્યારે વર્તમાનમાં એ શું કરે છે એ જોઈ લેવાનું, નહીં તો ‘પ્રિજ્યુડીસ’ કહેવાય. પાછલું સંભારવાથી બહુ નુકસાન થાય છે.

પ્રશ્નકર્તા : પણ ધ્યાનમાં તો રાખવું જોઈએ ને એ ?

દાદાશ્રી : એ તો એની મેળે હોય જ. ધ્યાનમાં રાખીએ તો ‘પ્રિજ્યુડીસ’ થાય. ‘પ્રિજ્યુડીસ’થી તો ફરી સંસાર બગડે. આપણે વીતરાગ ભાવે રહેવું. પાછલું લક્ષમાં રહે જ, પણ એ કંઈ ‘હેલ્પિંગ’ વસ્તુ નથી. આપણા કર્મના ઉદય એવા હતા તેથી એણે આપણી જોડે એવું વર્તન કર્યું. ઉદય સારા છે તો ઊંચું વર્તન કરશે. માટે રાખશો નહીં ‘પ્રિજ્યુડીસ.’ તમને શું ખબર પડે કે પહેલાં છેતરી ગયેલો આજે નફો આપવા આવ્યો છે કે નહીં ? અને તમારે એની જોડે વ્યવહાર કરવો હોય તો કરો ને ના કરવો હોય તો ના કરશો, પણ ‘પ્રિજ્યુડીસ’ ના

(પા.૧૧)

રાખશો. અને વખતે વ્યવહાર કરવાનો વખત આવે તો તો બિલકુલ ‘પ્રિજ્યુડીસ’ ના રાખશો.

સંજોગવશાત્ થાય એમાં કોનો વાંક ?

પ્રશ્નકર્તા : પ્રિજ્યુડીસ નહીં રાખવાનો એટલે શું ? જરા દાખલો આપીને સમજાવો, દાદા.

દાદાશ્રી : એક માણસ કાલે સવાસો રૂપિયા ગજવામાંથી લઈ ગયો. પછી ઘરનાં બધા માણસોએ એને જોયો હોય, પછી બીજે દહાડે આવે તો આપણા બધા લોકો એમ જ કહે કે ‘આ ચોર છે.’ ચોર કેવી રીતે કહેવાય એને ?

પ્રશ્નકર્તા : ચોરી કરી એટલે...

દાદાશ્રી : એવી ચોરી કરનારને ચોર કહેવાય નહીં. એ તો આ મૂરખા લોકો, ફૂલીશ લોકો આવું કહે. એને ચોર કહેવાય જ નહીં. એટલે પ્રિજ્યુડીસ ના રખાય. બીજે દહાડે આવે એટલે ચોરી જ જશે એવું કેમ કહેવાય આપણાથી ? શા આધારે આપણે જાણી ગયા કે ચોરી જ જશે ? તમારે સાવધ રહેવું જોઈએ. એટલે કોટ-બોટ બહાર રાખતા હોય તો તે ઘડીએ બહાર નહીં મૂકતા, અંદર મૂકી રાખવાનો. પણ પ્રિજ્યુડીસ ના રખાય એ. કારણ કે આ દુનિયામાં જેટલા ચોર પકડાઈ જાય એવા હોય છે, તે બધાં સંજોગવશાત્ ચોર હોય છે. સંજોગવશાત્ એટલે સમજ્યા તમે?

પ્રશ્નકર્તા : એટલે સરકમસ્ટેન્સિસ (સંજોગો)ને લીધે ચોરી કરે.

દાદાશ્રી : હા, તેને લઈને ચોરી કરે. ખરેખર ચોર નથી એ માણસ. એવા સંજોગ ઊભા થયા છે કે ચોરી કરવી પડી છે. બીજે દહાડે ચોરી ના કરે એ માણસ.

પ્રશ્નકર્તા : સંજોગ હોય તોય ? ચાન્સ (મોકો) મળે તોય ?

દાદાશ્રી : તોય ના કરે. એ એની જરૂરિયાત હોય તો બે-ત્રણ દહાડા સુધી કરે, પણ કાયમનો ચોર નથી એ. એને ચોર આપણાથી કહેવાય નહીં. પ્રિજ્યુડીસ ના રખાય. કાયમનો ચોર તો પકડાય જ નહીં.

પ્રશ્નકર્તા : ખરેખરો ચોર કોણ હોય ? કોને કહેવાય ?

દાદાશ્રી : પકડાય નહીં તે.

પ્રશ્નકર્તા : અમે પકડાય તેને ચોર માનીએ છીએ.

દાદાશ્રી : આ તો હિન્દુસ્તાનના લોક પકડાયો હોય એને, કે જે આખી જિંદગીમાં એક જ વખત ચોરી કરવા ગયો ત્યારે પકડાઈ ગયો, તેને આપણા લોકો ચોર કહે, કાયમને માટે. કેટલો ગુનો છે બધો ! એને ચોર ના કહેવાય. અમે તો એને ચોર માનીએય નહીં પાછા, કારણ કે આરોપ કર્યો કહેવાય. સતી ઉપર વેશ્યાનો આરોપ કર્યો કહેવાય. સંજોગવશાત્ કોણ ચોરી નથી કરતું ? તમને કેવું લાગે છે ?

આ રાજા જંગલમાં ગયો હોય ને ભૂલો પડ્યો હોય, ખાવા-પીવાનું ઠેકાણું ના પડે તો સંજોગવશાત્ ચોરી કરે કે ના કરે ? સંજોગવશાત્ના ચોરને ચોર ના કહેવાય. સંજોગવશાત્ તો રાજાય ચોરી કરે ! પૂરી ખાતરી કર્યા સિવાય અભિપ્રાય ના અપાય. પૂરી ખાતરી કરવાની શક્તિ કોને હોય ?

આમાં કોઈ દોષિત નથી. આ કાળ જ એવો છે. સંજોગવશાત્ બધું થાય છે, એમાં એમનોય શો વાંક ?

જગત જીવ હૈ કર્માધીના

કોઈ કહે, ‘મેં જાતે જોયું હોય તો, કે આ માણસ કાલે ગજવામાંથી રૂપિયા લઈ ગયો છે

(પા.૧૨)

ને આજે ફરી આવ્યો છે.’ તોય એની પર શંકા ના કરાય. એની પર શંકા કરવા કરતાં આપણે આપણી ‘સેઈફ સાઈડ’ (સલામતી) કરી લેવી. કારણ કે એને ‘પ્રિજ્યુડિસ’ કહેવાય છે. આજે એ આવો ના પણ હોય. કારણ કે કેટલાંક કાયમના ચોર નથી હોતા, સંજોગવશાત્ ચોર હોય છે. બહુ જ અડચણ પડી હોય તો કાઢી લે, પણ ફરી છ વર્ષ સુધી ના દેખાય. ગજવામાં મૂકી જાવ તોય એ ના અડે, એવા સંજોગવશાત્ ચોર !

પ્રશ્નકર્તા : અને ઘણાં રીઢા હોય, એ ચોરી કરવાનો ધંધો જ લઈને બેઠા હોય.

દાદાશ્રી : એ ચોર, એ જુદી વસ્તુ છે. એવા ચોર હોય ને, ત્યાં તો આપણે કોટ છેટો મૂકી દેવો. છતાંય એને ચોર ના કહેવો, કારણ કે એ તો આપણે કંઈ એને મોઢે ઓછા ચોર કહીએ છીએ ? મનમાં જ કહીએ છીએ ને ? મોઢે કહે તો ખબર પડી જાય ને ! મનમાં કહીએ તેનું જોખમ આપણું, મોઢે કહીએ તેનું જોખમ આપણું નહીં. મોઢે કહીએ તો માર ખાય તેનું જોખમ અને પેલું મનમાં કહે એ આપણું જોખમ. એટલે શું કરવું જોઈએ આપણે ?

પ્રશ્નકર્તા : મનમાંય નહીં રાખવું ને મારેય નહીં ખાવો.

દાદાશ્રી : હા, નહીં તો મોઢે કહી દે તે સારો, પેલો બે ગાળો ભાંડીને જતો રહે. પણ આ મનમાં રહ્યું, એ જોખમદારી આવે. એટલે ઉત્તમ કયું ? મનમાંયે રાખવું નહીં ને મોઢેય કહેવું નહીં, એ ઉત્તમ. મનમાં રાખવું એને ભગવાને ‘પ્રિજ્યુડિસ’ કહ્યું છે. કાલે કર્મનો ઉદય હોય ને એણે લીધું અને આજે કર્મનો ઉદય ના પણ હોય, કારણ કે ‘જગત જીવ હૈ કર્માધીના !’ એટલે એવું બને કે ના બને ?

પ્રશ્નકર્તા : બને.

દાદાશ્રી : તોય પણ આપણા લોકો શંકા રાખવામાં બહુ પાકા, નહીં? અમે તો શંકા રાખીએ જ નહીં, અને શંકા પહેલેથી જ બંધ કરી દઈએ, તાળું જ મારી દીધેલું ને ! શંકા કાઢી નાખે એ ‘જ્ઞાની’ કહેવાય. એ શંકાના ભૂતથી તો આખું જગત મરી રહ્યું છે. કહે, ‘અહીંથી રહીને આમ ગયો. આ કાલે પેઠો હતો ને લઈ ગયો હતો, તે જ હવે આમ ગયો પાછો.’ એ મહીં શંકા ઊભી થઈ.

ચેતીને ચાલવું પણ આરોપ નહીં

પ્રિજ્યુડીસ કરવો નહીં જોઈએ. અમે પ્રિજ્યુડીસ ના કરીએ. પછી કોટ જરા આઘો મૂકી રાખીએ. આપણે ચેતીને ચાલીએ પણ પ્રિજ્યુડીસ ના કરીએ.

પ્રશ્નકર્તા : પહેલે દિવસે અનુભવ થયો કે એ પૈસા ચોરી ગયો. પછી બીજે દિવસે આવ્યો ત્યારે તમે કોટ જરીક દૂર મૂક્યો, તો એ પ્રિજ્યુડીસ જ થયો ને ?

દાદાશ્રી : ના, એ પ્રિજ્યુડીસ નહીં, એ આપણે ચેતવા માટે. આપણે એને પ્રિજ્યુડીસ માનીએ જ નહીં ને ! એ ચોરી કરશે એવું માનીએ જ નહીં ને આપણે. એ તો એના કર્મના ઉદય ને મારા કર્મના ઉદયથી ચોરી થઈ ગઈ.

પ્રશ્નકર્તા : તો કોટ કેમ દૂર મૂકી દીધો ?

દાદાશ્રી : આપણને એમ લાગે કે ભઈ, અહીં આમ છે, તો સલામત મૂકવું જોઈએ પણ એથી કરીને એ માણસ ઉપર આરોપ નથી કરતા. અને નહીં તોય એ સારો માણસ હોય તોય કોટ તો છેટો મૂકવો જોઈએ. કારણ કે એના મનમાં છેવટે ભાવ તો બગડે જ. બધા ના હોય એવા. વખતે કોઈ માણસ એવા હોય તો ભાવ તો બગડે જ. કહેશે, આ લઈ લેવા જેવું છે. પછી ભલે ચોરીનું કાર્ય ના થાય. કાર્ય તો પૂર્વભવમાં, ગયા

(પા.૧૩)

અવતારમાં કારણ કરેલું હોય તો જ થાય, નહીં તો થાય નહીં. અત્યારે ભાવ બગાડે ને ! અત્યારે ભાવ બગાડે તે પાછું આવતા ભવનું કર્મ બાંધે.

આપણે ગજવામાં પૈસા રાખતા હોય ને આપણે જાણ્યું કે આ માણસ અહીંથી ઉઠાવી ગયો છે, તો કોઈની ઉપર અભિપ્રાય ના બંધાય. એટલા માટે આપણે પૈસા બીજી જગ્યાએ મૂકી દેવા. આપણે તો એને અભિપ્રાય આપ્યા સિવાય ચેતીને ચાલવું.

આપણે મનમાં એને માટે શંકા નહીં કરવાની. આપણે ચેતીને વસ્તુ બેફામ નહીં રાખવાની. એટલે એનાથી ચેતવું એવું નહીં, પણ વ્યવહારથી ચોક્કસ જ રહેવું જોઈએ માણસે. પછી કોઈના ઉપર પૂર્વગ્રહ ના રાખવો પડે. કોઈને બ્લેમ (દોષારોપણ) ના કરવો પડે.

અભિપ્રાય છૂટતા શંકા છૂટે

કોઈની પર શંકા ના પડવી જોઈએ. શંકા પડવી, એ બધા અભિપ્રાયો પડેલા તેનું પરિણામ છે. એના માટેનો અભિપ્રાય ના રહેવા દેવો. તમને એમ લાગે કે આ જગ્યાએ કોટ પડ્યો હશે, તો આ કોટને કંઈક નુકસાન થાય, માટે બીજી જગ્યાએ રાખો. તમારે કોઈને અભિપ્રાય આપવાની જરૂર નથી. બધા ભગવાન છે આ તો !

પ્રશ્નકર્તા : પણ છતાં શંકા કેવી રીતે મટે ?

દાદાશ્રી : એ શંકા નહીં રાખવાને માટે જ કહે છે કે અભિપ્રાય છોડી દો ને આપણે. અભિપ્રાયને લીધે શંકા આવે છે.

દાદાને સોંપી, બેસો નિરાંતે

આખી રાત કૈડી ખાય એનું નામ શંકા. એના જેવો કીડો આ દુનિયામાં જન્મ્યો નથી કોઈ. એ કીડાએ મારી નાખ્યા લોકોને. અમે એના વિરોધી છીએ. શંકાનું નામ આવતા દાદાનું નામ દઈ દેવું જોઈએ કે ‘દાદા, આ તો મને શંકા પડે છે.’ એ દાદાને સોંપી દેવો, જે કેસ હોય તે. પછી નિરાંતે બેસો.

એટલે માણસે શંકા તો ક્યારેય પણ ન કરવી. આંખે દીઠું હોય તોય શંકા ના કરવી. શંકા જેવું એકેય ભૂત નથી. મૂળથી, શંકા ઉત્પન્ન થાય ત્યારથી જ કાઢી નાખવી કે દાદાએ ના પાડી છે.

‘જ્ઞાની’ના ‘જ્ઞાન’થી શંકા જાય ! કોઈથી, સાપથીય અડાય નહીં એવું આ જગત છે. ‘અમે’ જ્ઞાનમાં જોઈને કહીએ છીએ કે આ જગત એક ક્ષણવાર અન્યાયને પામ્યું નથી. જગતની કોર્ટો, ન્યાયાધીશો, લવાદો બધું અન્યાયને પામે પણ જગત અન્યાયને નથી પામ્યું. માટે શંકા ના કરશો.

‘વ્યવસ્થિત’ કહેતા જ સમાધાન

પ્રશ્નકર્તા : એનું છે ને એ લઈ ગયો એમ સમજવાનું ?

દાદાશ્રી : બસ, એક જ વાત છે કે તમારી વસ્તુ કોઈ લેનાર નથી અને જે લઈ ગયો તો તે તમારી વસ્તુ ન્હોય. અને હજુ લઈ જશે તે એનું છે એટલું જ લઈ જશે. માટે ધીરજ પકડો. પણ એને ચોર ના કહો, એ ચોર નથી. તમે એનો માલ દબાવી લાવ્યા છો, અગર તો કો’કનું ખોટું લાવ્યા છો, તેથી આવો ન્યાય ઉત્પન્ન થાય છે.

પ્રશ્નકર્તા : એનું છે તે લઈ જાય છે.

દાદાશ્રી : ખરું સમજ્યા તમે. અને આપણે ‘વ્યવસ્થિત’ કહીએ છીએ ને ! ગજવું કાપી જાય ને, તો વ્યવસ્થિત. પેલાને ખરાબ નહીં કહેવાનું અને પાછું મનનેય બગાડવાનું નહીં, વ્યવસ્થિત.

વ્યવસ્થિતે વ્યવસ્થિત જ કર્યું છે. આગળથી આપણા જ્ઞાનીઓએ શીખવાડ શીખવાડ કર્યું છે કે

(પા.૧૪)

તારું કોઈ લઈ જનાર નથી. જો આટલું કામ લાગે છે ને ? આમ આશરો લે તો ઊંઘ આવે કે ના આવે ? પછી મનમાં છેવટે વાત આવે કે ભાઈ, એનું હશે ને એ લઈ ગયો છે, તરત ઊંઘી જાય પાછો. નહીં તો આખી રાત ઊંઘ ના આવે. કંઈ સમાધાન તો જોઈએ કે ના જોઈએ ?

‘જે બને તે ખરું’ એમ રાખવું

પ્રકૃતિનો જ જો એ ચોર હોય, આપણે દસ વર્ષથી એની ચોરી જોતા હોઈએ ને એ આપણને આવીને પગે લાગી જાય, તો આપણે એના ઉપર શું વિશ્વાસ મૂકવો ? વિશ્વાસ ના મૂકાય. ચોરી કરે તેને માફી આપણે આપી દઈએ કે ‘તું જા હવે, તું છૂટ્યો. અમને તારા માટે મનમાં કંઈ નહીં રહે.’ પણ એના ઉપર વિશ્વાસ ના મૂકાય અને એનો પછી સંગેય ના રખાય. છતાં સંગ રાખ્યો ને પછી વિશ્વાસ ન મૂકો તો તે પણ ગુનો છે. ખરી રીતે સંગ રાખવો નહીં ને રાખો તો એના માટે પૂર્વગ્રહ રહેવો જ ના જોઈએ. ‘જે બને તે ખરું’ એમ રાખવું.

ના ગમે તો ઉપેક્ષા કરજો, દ્વેષ નહીં

તમે એને ચોર માનો, તો તમારો રાગ-દ્વેષ ઊભો થયો. કારણ કે ‘આ ચોર છે’ એવું તમે માનો છો અને એ તો લૌકિક જ્ઞાન છે, અલૌકિક જ્ઞાન તેવું નથી. અલૌકિકમાં તો એક જ શબ્દ કહે છે કે તે તારા જ કર્મનો ઉદય છે. એનો કર્મનો ઉદય અને તારા કર્મનો ઉદય, એ બે ભેગા થાય એટલે એ લઈ ગયો. તેમાં તું ફરી પાછો શા માટે અભિપ્રાય બાંધે છે કે આ ચોર છે ?

ગજવું કાપી ગયો, એના પર દ્વેષ નહીં. ક્રિયા પર દ્વેષ નહીં. એની કરુણા રાખવી. ભગવાને શું કહ્યું કે દ્વેષ ના રાખશો. ના ગમે તો ઉપેક્ષા કરજાે.

પૂર્વગ્રહની અસર થાય સામસામે

પ્રશ્નકર્તા : આ સ્ટ્રોંગ ઓપિનિયન એને જ પૂર્વગ્રહ કહેવાય ?

દાદાશ્રી : પૂર્વગ્રહ એટલે એને ચોર માને અને ચોર બોલીએ, મનમાં જાણીએ એને પૂર્વગ્રહ કહેવાય. એની અસર આપણને થાય અને એની અસર એને પણ થાય.

પ્રશ્નકર્તા : એને થાય ?

દાદાશ્રી : હા, તમે વિચાર્યું એટલે.

પ્રશ્નકર્તા : આપણે વિચાર્યું એટલે એને અસર થાય ?

દાદાશ્રી : એટલે આ વિચારેલું બંધનકારક છે, મનને બાંધે એવું.

આ પૂર્વગ્રહની એની પર અસર પડે. કોઈ પણ પૂર્વગ્રહની અસર પડ્યા વગર રહે નહીં, માટે પૂર્વગ્રહ કોઈની જોડે રખાય નહીં. પૂર્વગ્રહ તો નહીં, એની માટે ખરાબ વિચાર પણ આપણાથી ન કરાય. આપણને એના માટે ખરાબ વિચાર આવતા હોય ને, તોય આપણે એમાં એડજસ્ટ નહીં થવાનું (ભળવાનું નહીં).

પરવશતા બધી અભિપ્રાયોથી

તમે કોઈ માણસને માટે ખરાબ અભિપ્રાય કરો ને, એટલે તમારા મનમાં એ માણસને જોતાની સાથે જ કકળાટ ઉછળે. ઉછળે કે ના ઉછળે ? શાથી ? અભિપ્રાય પ્રિજ્યુડીસ થયેલો છે.

એક છોકરાને માટે ખરાબ અભિપ્રાય બેઠો. એક દહાડો ખરાબ બેઠો, બીજે દહાડે બેઠો, એટલે પછી ‘તું બહુ ખરાબ છું, બહુ ખરાબ છું, બહુ ખરાબ છું.’ અરે ! બધી વખતે ખરાબ હોતો હશે મૂઆ ? શું કાયમને માટે, બધા કેસમાં એ

(પા.૧૫)

ગુનેગાર હોય ? કઈ જાતનો ન્યાયાધીશ થઈ બેઠો છું મૂઆ, બાપ થયો એટલે ? પણ એને આ અભિપ્રાયો બેસી ગયા એટલે પોતે જ પરવશ થઈ ગયો. એ એમને છે તે પ્રિજ્યુડીસ હોય છે કે બાબો આવો જ છે, બાબો આવો જ છે. દરેક વખતે એવા નથી હોતા પણ પેલું પ્રિજ્યુડીસ આગળ જ કામ કરે.

પ્રેમથી થાય ફેરફાર, પ્રિજ્યુડીસથી નહીં

પ્રશ્નકર્તા : પણ કેટલીવાર છોકરાંઓને બિયૉન્ડ રિપેર (સુધારી ન શકાય તેવા) થઈ ગયા પછી છોડી દેવું પડે છે.

દાદાશ્રી : ના, એવું છોડીના દેવાય.

પ્રશ્નકર્તા : હવે બીજી વખત નહીં આવે એ, ગઈકાલે જ કહ્યું.

દાદાશ્રી : ના, એ તમારી માન્યતા પાછી, એ તમારા વ્યૂ પોઈન્ટ છે. અમારા વ્યૂ પોઈન્ટથી તો ગમે તેવું બિયૉન્ડ લિમિટ (હદ બહાર) થઈ ગયું હોય ને, તોય મહીં ફેરફાર થઈ જાય. જેમાં આત્મા છે, મનુષ્ય છે અને ખાનદાન ઘેર જન્મેલો છે, એટલે એનું રિપેરિંગ થાય.

તમને આ જે તમારી કેટલીક બિલીફો બેસી ગયેલી છે ને, તે બધી એકાંતિક બિલીફો બેઠી છે. એકાંતિક એટલે તમે જે માન્યું તે જ કરેક્ટ (સાચું) માનો, એવી બિલીફો બેસી ગયેલી છે. અને એ તમારું કરેક્ટ જગત એક્સેપ્ટ (સ્વીકાર) નહીં કરે ને ?

પ્રશ્નકર્તા : ના પણ હું મારો મત ઠોકી બેસાડવા માગતો નથી.

દાદાશ્રી : ના, ઠોકી બેસાડવા નથી માગતા છતાં પણ તમારા મતમાં પેલો મત છે ને, એની બધા ઉપર અસર થાય.

પ્રશ્નકર્તા : મારો મત અનુભવના આધારે બંધાયો છે.

દાદાશ્રી : એ બરોબર છે, એ અનુભવના આધારે છે તો બીજા પર અસર થાય ને ! છોકરાંઓ ઉપર અસર થાય. છોકરાંઓ તો ખરાબ હોય તોય આપણે મનમાં સારા માનીએ. પ્રિજ્યુડીસ કાઢી નાખવાનો બિલકુલ. પ્રિજ્યુડીસ કોઈનો રખાય નહીં. પ્રિજ્યુડીસ કાઢી નાખીએ તો ફેરફાર થાય, નહીં તો ફેરફાર થાય નહીં. પ્રેમથી ફેરફાર થાય બધો. અઘટ પ્રેમ જેને પરમાત્મ પ્રેમ કહેવામાં આવે છે, એનાથી આ સુધારવાનું છે. બીજું કંઈ મારીકૂટીને સુધારવાના નથી.

પૂર્વગ્રહ વગર વઢેલું કામનું

પૂર્વગ્રહ વગર કહેતા આવડે તો ફાયદો થાય પણ પૂર્વગ્રહ વગર કહી કોણ શકે ? એકલા જ્ઞાની પુરુષ. એટલે જગતમાં એક જ કરવાનું છે; કશું બોલવું નહીં કોઈએ. નિરાંતે જે હોય એ ખઈ લેવું ને આ હેંડ્યા સહુસહુના કામ પર. કામ કર્યા કરવાનું. બોલશો-કરશો નહીં. તું નથી બોલતી ને, છોકરાં જોડે, ધણી જોડે ?

પ્રશ્નકર્તા : બહુ ઓછું કરી નાખ્યું.

દાદાશ્રી : બિલકુલ નહીં કરવાનું. દાદાની આજ્ઞા ! વઢવાથી તો છોકરાં બગડે છે, સુધરતા નથી, બળ્યાં ! વળી કઈ મા (મધર)માં બરકત હશે કે છોકરાંને વઢ વઢ કરે ? એ મા (મધર)માં બરકત જોઈએ ને ? વઢેલું ક્યારે કામનું ? પૂર્વગ્રહ ન હોય તો વઢેલું કામનું. પૂર્વગ્રહ એટલે ગઈકાલે વઢ્યો’તો ને, તે મનમાં યાદ હોય. ‘આવો જ છે, આવો જ છે’ અને પછી પાછો વઢે. એટલે પછી આમાંથી ઝેર ફેલાય. ભગવાને આને ભયંકર રોગ કહ્યો છે, મૂરખ બનવાની નિશાની. અક્ષરેય બોલવાનું નહીં.

(પા.૧૬)

અભિપ્રાયના પરિણામે કઠોર વાણી

એક ફેરો મનમાં વિખવાદ પડી ગયો પછી એની લિન્ક ચાલુ થઈ જાય. પછી મનમાં એના માટે ગ્રહ બંધાઈ જાય કે આ માણસ આવો છે. ત્યારે આપણે મૌન લઈને સામાને વિશ્વાસમાં લેવા જેવો છે. આ બોલ બોલ કરવાથી કોઈનું સુધરે નહીં. સુધરવાનું તો ‘જ્ઞાની પુરુષ’ની વાણીથી સુધરે. બગડેલાને સુધારવું એ અમારાથી થઈ શકે, તમારે ના કરવું. તમારે અમારી આજ્ઞા પ્રમાણે ચાલવું. એ તો જે સુધરેલો હોય તે જ બીજાને સુધારી શકે. પોતે જ સુધર્યા ના હોય, તે બીજાને શી રીતે સુધારી શકે ?

કેટલાકની વાણી બધી બગડી ગઈ હોય છે, તે પણ અભિપ્રાયને લીધે. અભિપ્રાયને લીધે વાણી કઠોર નીકળે, તંતીલી નીકળે ! એટલે પોતે એવું તંતીલું બોલે કે સામો પણ લતે ચઢે !

પરવાનગી લઈ કરો વાત

પ્રશ્નકર્તા : અમારે વાણી બોલતી વખતે કેવા પ્રકારની જાગૃતિ રાખવી ?

દાદાશ્રી : જાગૃતિ એવી રાખવાની કે આ બોલ બોલવામાં કોને કોને, કેવી રીતે પ્રમાણ દુભાય છે, એ જોવાનું છે.

પ્રશ્નકર્તા : સામા જોડે વાતચીત કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ?

દાદાશ્રી : એક તો ‘એમની’ સાથે વાત કરવી હોય તો તમારે એમના ‘શુદ્ધાત્મા’ની પરવાનગી લેવી પડે કે ‘એમને અનુકૂળ આવે એવી વાણી મને બોલવાની પરમ શક્તિ આપો.’ પછી તમારે દાદાની પરવાનગી લેવી પડે. એવી પરવાનગી લઈને બોલો તો પાંસરી વાણી નીકળે.

સમભાવે નિકાલ કરતા પૂર્વગ્રહો થાય ઓછા

પ્રશ્નકર્તા : ઘણી વખત એવું નથી બનતું કે આપણને સામાનો વ્યુ પોઈન્ટ જ ખોટો દેખાતો હોય, એટલે પછી આપણી વાણી કર્કશભરી નીકળે ?

દાદાશ્રી : એ દેખાયા કરતું હોય તેથી જ અવળું થાય છે ને ! એ પૂર્વગ્રહો ને એ બધું જ નડે છે ને ! ‘ખરાબ છે, ખરાબ છે’ એવો પૂર્વગ્રહ થયેલો, તે પછી વાણી નીકળે તો એવી ખરાબ જ નીકળે ને ! એ પૂર્વગ્રહો છે બધા. પૂર્વગ્રહોમાં એકદમ ચેન્જ (ફેરફાર) ના કરવો જોઈએ. પૂર્વગ્રહ બંધ કરવા માટે આવી રીતે વાણી બોલતા પહેલાં પરવાનગી લઈને કામ કરો તો ચાલે. અને જોડે જોડે આ જ્ઞાન પછી ‘સમભાવે નિકાલ’ કરતા જાય તેમ તેમ પૂર્વગ્રહોય ઓછાં થઈ જાય, ને પછી બોલે, તે પૂર્વગ્રહરહિત બોલે.

અભિપ્રાય ફરતા આપણે છૂટા

પ્રશ્નકર્તા : આપણને એમ થતું હોય કે આનું ભલું થાય છે તો એને ટોકટોક કરીએ, તો એ નહીં સારું ને ? કોઈને એના સારા માટે વઢીએ, ટોકીએ તો એ કરવું કે નહીં ?

દાદાશ્રી : ના, એ તો આપણા હાથમાં નહીં ને ! પણ એ તો ટોકાય, એ કરવા જેવી વસ્તુ નહીં. પણ ટોકાય તે આપણે જોયા કરવાનું. આપણે ના કરવું હોય તોય થઈ જાય એ તો. ના વઢવું હોય તોય વઢી જવાય. એટલે એ આપણે જોયા કરવાનું કે આમ ન હોવું ઘટે, એવો આપણે મનમાં અભિપ્રાય રહેવો જોઈએ. આમ હોવું ઘટે નહીં એવો આપણો અભિપ્રાય ફેર થયો એટલે આપણે છૂટા. આપણી જવાબદારી નહીં પછી.

પ્રશ્નકર્તા : હવે કોઈક જોડે વાત થતી હોય અને આપણી વાણી ખરાબ નીકળતી હોય, પછી આપણે એમ બોલીએ કે આવી વાણી ના હોવી જોઈએ, આપણને ભૂલ દેખાય તો એ સુધરે કેમ નહીં ?

(પા.૧૭)

દાદાશ્રી : ના સુધરે. એ તો ટેપ થઈ ગઈ ને એક વાર.

પ્રશ્નકર્તા : સુધારવાની સત્તા નહીં ?

દાદાશ્રી : કશી સત્તા ના હોય. આવી વાણી ના હોવી જોઈએ, એવો આપણે અભિપ્રાય હોવો જોઈએ. બીજું કશું નહીં. એટલે હજુ એકાદ અવતાર-બે અવતાર બાકી હોય તો બીજી ટેપો નવી ફેરફારવાળી થઈ જાય, બસ એટલું જ.

અભિપ્રાય ઓછા થતા મન ચોખ્ખું થાય

એક માણસને તમે કહો કે ‘તમે જૂઠા છો.’ તો હવે ‘જૂઠા’ કહેતાંની સાથે તો એટલું બધું સાયન્સ ફરી વળે છે મહીં, એના પર્યાયો એટલા બધા ઊભા થાય છે કે તમને બે કલાક સુધી તો એની પર પ્રેમ જ ઉત્પન્ન ના થાય.

આપણે એવું માનીએ છીએ, જેવો અભિપ્રાય માનીએ છીએ, એ ખરું છે નહીં. એ બધી ખોટી વાત છે. પછી આપણે બોલવું હોય તોય સામો ના બોલે. તરત સમજી જવું અને આપણે તરત ભૂસી નાખવું. અભિપ્રાય પડવા જ ના દેવો.

આ સાયન્ટિફિક વસ્તુ છે. પણ આમ સમજે તો બધો ઉકેલ આવી જાય. અજ્ઞાનીઓનેય ઉકેલ આવી જાય. અભિપ્રાય આપતા ઓછા થઈ જાય ને, તો મન ચોખ્ખું થતું જાય. એકદમ ઓછું ના થાય, પણ થોડું થોડું ઓછું કરે ને !

પરિણામે પ્રિજ્યુડીસ ના જોઈએ

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે કોઈના માટે અભિપ્રાય નહીં બાંધવો, તો સારા અભિપ્રાય પણ નહીં બાંધવા ?

દાદાશ્રી : સારા અભિપ્રાય બાંધશો તોય તમને બાંધશે અને ખોટા અભિપ્રાય બાંધશો તોય તમને બાંધશે. તમારે બંધાવું ન હોય તો અભિપ્રાય બાંધશો નહીં.

પ્રશ્નકર્તા : પણ આ જ્ઞાની છે, એવોય અભિપ્રાય નહીં બાંધવો ?

દાદાશ્રી : એ બાંધવો. આપણે જે ગામ જવું હોય તે ગામનો બાંધવો. વગરકામનો, નથી જવું ને એનો અભિપ્રાય પોષીએ ત્યાં ફળ આવવાનું. ત્યાં જઈને શું કામ છે ? અરે નહીં તોય પ્રિજ્યુડીસમાં પરિણામ પામે એવો કોઈ પણ અભિપ્રાય બાંધવો ના જોઈએ.

અભિપ્રાય રાખે તે ગુનેગાર

પ્રશ્નકર્તા : સારો અભિપ્રાય એ પણ પ્રિજ્યુડીસ અને ખરાબ અભિપ્રાય એ પણ પ્રિજ્યુડીસ, એ જરા સમજાવો.

દાદાશ્રી : પ્રિજ્યુડીસ એટલે શું કહેવા માંગે છે ? જે પ્રિજ્યુડીસ રાખે તે ગુનેગાર. એટલે એક માણસ અભિપ્રાય રાખે એ ગુનેગાર કહેવાય.

પ્રશ્નકર્તા : હા, એ બરોબર છે, પણ સારો અભિપ્રાય રાખે એ પણ ગુનેગાર ?

દાદાશ્રી : સારો કે ખોટો, અભિપ્રાય રાખે તે ગુનેગાર. આ માણસ દાનેશ્વરી છે, એ આવે એટલે દાનેશ્વરી દેખાય. આપણે એનો અભિપ્રાય બાંધવો એ ગુનો કહેવાય.

પ્રશ્નકર્તા : પણ એ દાનેશ્વરી હોય છતાં અભિપ્રાય બાંધવો તે ગુનો છે ?

દાદાશ્રી : આજે દાન આપતો હોય અને એને મનમાં એવો વિચાર થાય કે આ દાન આપવું ખોટું થાય છે, આવું ના શોભે. એટલે આપણે અભિપ્રાય ના અપાય કે આ દાનેશ્વરી છે, કારણ કે એ ટાઈમે એની શુંય પરિણતિ હોય ? એની

(પા.૧૮)

પરિણતિ કર્મના ઉદય આધીન હોય છે. એટલે આજે ચોર કંઈ ચોરી ગયો, એને માટે આપણે કાલે કલ્પના કરીએ કે એ ચોરી કરશે, એ ગુનો કહેવાય.

જેવું દેખ્યું એવું જાણવું, અભિપ્રાય નહીં

ડાહ્યા માણસો પ્રિજ્યુડીસ ના રાખે. પચાસ હજાર માણસો હોય તોય અમે પ્રિજ્યુડીસ ના રાખીએ.

પ્રશ્નકર્તા : પણ સારો અભિપ્રાય હોય, એ પણ પ્રિજ્યુડીસ કહેવાય ?

દાદાશ્રી : ‘સારો છે’ એ મોઢે બોલીએ ખરા, પણ અભિપ્રાય નહિ અમારો. સારાને સારા જાણીએ પણ પ્રિજ્યુડીસ નહિ, અભિપ્રાય નહિ અને ખરાબ તે ખરાબ જાણીએ. પણ તે જાણીએ એટલે આજે એવા છે એવું અમે ના માનીએ. આજે કર્મનો ઉદય શુંનો શુંય હોય ! અરે, મોટા બ્રહ્મચારી લોકો છે તે અબ્રહ્મચર્યમાં રાચતા હોય છે ને બ્રહ્મચારી કહેવાતા હોય ! એટલે એવું માનવા તો આ વિજ્ઞાન ના પાડે છે આપણું. વીતરાગો માનતા ન હતા કોઈને, અક્ષરેય ! ઘરની વાઈફ માટેય અભિપ્રાય નહિ, ત્યારે કેવા ડાહ્યા માણસ !

પ્રશ્નકર્તા : એટલે ઘરની બૈરી સારી હોય તો પણ અભિપ્રાય નહિ ?

દાદાશ્રી : અભિપ્રાય નહિ, નો ઓપિનિયન. એનું કારણ છે કે આના કર્મ આવાં ને આવાં જ આવશે ? ના, એવું નથી. કર્મના ઉદય બદલાયા જ કરે. અભિપ્રાયનો અર્થ શું થાય છે ? આવાં ને આવાં કર્મ એના.

પ્રશ્નકર્તા : એટલે ડિસિઝન (નિર્ણય) નહીં આવવું જોઈએ.

દાદાશ્રી : ના, એટલે અભિપ્રાયે જ ડિસિઝન લીધું ને કે ચોરને ચોર માન્યો અને શાહુકારને શાહુકાર જ માન્યો. હવે ચોર ગઈકાલે ચોરી કરી ગયો હોય, તે એના મનમાં ભાવ શું હોય કે ‘કોઈ દહાડો ચોરી ના કરવી જોઈએ.’ એમ કરીને આપણે ત્યાં આજે આવે અને પછી આપણે તેને આવું ચોર જોઈએ તો આપણે કેટલા ગુનેગાર થઈએ છીએ ! જગત ભલે થાય, પણ અક્રમ વિજ્ઞાન જાણ્યા પછી આપણે ગુનેગાર ન જ થવું જોઈએ. વીતરાગો કેવા ડાહ્યા હતા ! ઘરના માણસ માટે જરાય અભિપ્રાય નહિ. અમને પણ અભિપ્રાય નહિ કોઈ દહાડો, કોઈનોય.

પ્રશ્નકર્તા : એટલે જાણવું ખાલી.

દાદાશ્રી : હા, જાણવું, જેવું દેખ્યું એવું જાણવું. તેમાં અભિપ્રાય નહિ રાખવાનો, અક્રમ વિજ્ઞાનના આધારે.

ન રાખો પૂર્વગ્રહ પુદ્ગલ પ્રત્યે

અા ‘પ્રિજ્યુડીસ’ને લઈને સંસાર ઊભો રહ્યો છે. પહેલાંનું ‘જજમેન્ટ’ છોડી દો. એ તો બદલાયા જ કરે છે. ચોર આપણા દેખતા ચોરી કરે તોય તેના પર પૂર્વગ્રહ ના રાખશો. કાલે એ શાહુકારેય થઈ જાય. અમને એક ક્ષણવાર પૂર્વગ્રહ ના હોય.

આપણા જ્ઞાનીઓ શું કહે છે કે કોઈ પણ માણસ માટે પૂર્વગ્રહ રાખશો નહીં. કાલ સુધી ચોર હોય, એ આજ શાહુકાર થઈ જાય. માટે રોજ એને શાહુકાર જ માનો અને પછી શું બને છે તે જુઓ. ચેતીને ચાલો પણ પૂર્વગ્રહ ના બાંધો, એમ કહે છે. પૂર્વગ્રહ બાંધવાથી એનું તો ગુમાયેલું છે પણ તમારું શું કામ ગુમાવો છો ? કાલે સવારે શાહુકાર થઈને ઊભો રહે. તમારું પોતાનું જજમેન્ટ એનું એ જ રાખો છો હંમેશાં. કોઈ જજમેન્ટથી

(પા.૧૯)

આવું ના રાખી શકાય. કારણ કે પુદ્ગલ તો ક્ષણે ક્ષણે બદલાતું છે.

દોષ જોવાથી જોખમ

આ પૂર્વગ્રહને લઈને તો જગત માર ખાય છે અને તેને લઈને દોષો બેસે છે. તેથી તો આ દુઃખો છે ને, નહીં તો વર્લ્ડમાં દુઃખો કેમ હોય ? અને ભગવાન દુઃખ આપતા નથી, બધા તમારા જ ઊભાં કરેલાં દુઃખો છે ને તે તમને પજવે છે. તેમાં ભગવાન શું કરે ? કોઈની પર પ્રિજ્યુડીસ રાખશો નહીં. કોઈનો દોષ જોશો નહીં. એ જો સમજી જશો તો ઉકેલ આવી જશે.

પ્રશ્નકર્તા : જો દોષ ના જોઈએ તો દુનિયાની દ્રષ્ટિએ આપણે એક્સેસ ફૂલ (વધારે પડતા મૂર્ખ) ના લાગીએ ?

દાદાશ્રી : એટલે દોષ જોવાથી સફળ થઈએ આપણે ?

પ્રશ્નકર્તા : દોષ જોવાથી નહીં, પણ ડીસ્ટીંગ્શન કરવાનું (તફાવત જોવાનો) કે આ માણસ આવો છે, આ માણસ આવો છે.

દાદાશ્રી : ના, એનાથી તો જોખમ છે ને બધું. એ પ્રિજ્યુડીસ કહેવાય. પ્રિજ્યુડીસ કોઈની પર રખાય નહીં.

દોષિત નહીં પણ નિર્દોષ જાણો

પ્રશ્નકર્તા : એટલે દરેક વ્યક્તિને નિર્દોષ ગણવા ?

દાદાશ્રી : ના, નિર્દોષ ગણવા એટલે અભિપ્રાય થયો, ઓપિનિયન થયો. આપણે તો બધાને નિર્દોષ જાણવા.

પ્રશ્નકર્તા : અને દોષિત હોય તો દોષિત જાણવા ?

દાદાશ્રી : ના, આપણા જ્ઞાનમાં દોષિત નહીં, નિર્દોષ જ જાણવા. દોષિત કોઈ હોતો જ નથી. દોષિત ભ્રાંતદ્રષ્ટિથી છે. ભ્રાંતદ્રષ્ટિ બે ભાગ પાડે છે; આ દોષિત છે ને આ નિર્દોષ છે. આ પાપી છે ને આ પુણ્યશાળી છે અને આ દ્રષ્ટિએ એક જ છે કે નિર્દોષ જ છે અને તે તાળા વાસી દીધેલા. બુદ્ધિને એ બોલવાનો સ્કોપ (અવકાશ) જ ના રહ્યો. બુદ્ધિને ડખો કરવાનો સ્કોપ જ ના રહ્યો. બુદ્ધિબેન ત્યાંથી પાછાં ફરી જાય કે આપણું હવે ચાલતું નથી, ઘેર ચાલો. એ કંઈ ઓછી કુંવારી છે ? પૈણેલી હતી, તે ત્યાં પાછી સાસરે જતી રહે બેન.

પ્રશ્નકર્તા : એટલે દાદા, દોષિત પણ નહીં ગણવા, નિર્દોષ પણ નહીં ગણવા, નિર્દોષ જાણવા.

દાદાશ્રી : જાણવાનું બધુંય, પણ દોષિત જાણવા નહીં. દોષિત જાણે તે તો આપણી દ્રષ્ટિ બગડી છે અને દોષિત જોડે ‘ચંદુભાઈ’ માથાકૂટ કરે છે એ ‘આપણે’ જોયા કરવાનું. ‘ચંદુભાઈ’ને (ફાઈલ નં.૧ને) ‘આપણે’ આંતરવાના નહીં.

પ્રશ્નકર્તા : એ શું કરે છે એ જોયા કરવાનું ?

દાદાશ્રી : બસ, જોયા કરો. કારણ કે એ દોષિતની જોડે દોષિત એની મેળે માથાકૂટ કરે છે. પણ આ ‘ચંદુભાઈ’ય નિર્દોષ છે અને એય નિર્દોષ છે. બે લઢે છે પણ બન્નેવ નિર્દોષ છે.

ફાઈલ નં.૧નો નિવેડો લાવો આમ

પ્રશ્નકર્તા : એટલે ચંદુભાઈ દોષિત હોય તોય સૂક્ષ્મ દ્રષ્ટિથી એ નિર્દોષ જ છે.

દાદાશ્રી : સૂક્ષ્મ દ્રષ્ટિથી એ નિર્દોષ જ છે, પણ ચંદુભાઈને તમારે જે કંઈ કરવું હોય તે કરવું. બાકી જગતના સંબંધમાં નિર્દોષ ગણવાનું હું કહું છું. ચંદુભાઈને તમારે ટકોર મારવી પડે કે આવું

(પા.૨૦)

ચાલશો તો નહીં ચાલે. એને શુદ્ધ ફૂડ આપવાનું છે. અશુદ્ધ ફૂડથી આ દશા થઈ છે, તે શુદ્ધ ફૂડે કરીને નિવેડો લાવવાની જરૂર.

પ્રશ્નકર્તા : એ કંઈ આડું-અવળું કરે તો પ્રતિક્રમણ કરવાનું કહેવું પડે?

દાદાશ્રી : હા, એ બધું જ કહેવું પડે. એનેય કહેવાય, ‘તમે નાલાયક છો.’ ચંદુભાઈ એકલા માટે, બીજાને માટે નહીં. કારણ કે તમારી ફાઈલ નંબર વન, તમારી પોતાની, બીજાને માટે નહીં.

પ્રશ્નકર્તા : એટલે ફાઈલ નંબર વન દોષિત હોય તો તેને દોષિત ગણવા એને વઢવું ?

દાદાશ્રી : બધું વઢવું, પ્રિજ્યુડીસ હઉ રાખવો એની પર કે ‘તું આવો જ છે, હું જાણું છું.’ એને વઢવું હઉ. કારણ કે આપણે એનો નિવેડો લાવવો છે હવે.

જગતની હકીકત ભગવાનની દ્રષ્ટિએ

કશાનો અભિપ્રાય ના રહેવો જોઈએ. અભિપ્રાય એટલે તમે એની અનુમોદના કરી. ખોટું એને ખોટું ‘જાણવું’ અને ખરું એને ખરું ‘જાણવું’. ખોટા પર કિંચિત્માત્ર દ્વેષ નહીં, ખરા પર કિંચિત્માત્ર રાગ નહીં. ખરું-ખોટું હોતું જ નથી. ખરું-ખોટું એ દ્વંદ્વ છે, ભ્રાંતદ્રષ્ટિ છે, સામાજિક સ્વભાવ છે. ભગવાનની દ્રષ્ટિમાં એવું નથી. ભગવાનની દ્રષ્ટિમાં ટેબલ પર જમે છે તેય ને સંડાસ જાય છે તેય, બન્ને સરખું છે.

ભગવાનને ઘેર કોઈ કિંમત નથી. તમે મારો કે ઝૂડો કે ખૂન કરો, તોયે ભગવાનને ઘેર કોઈ જાતની કિંમત નથી. આ બધું સામાજિક દ્રષ્ટિ છે. ભ્રાંતદ્રષ્ટિથી છે આ જગત. રાઈટ (સાચી) દ્રષ્ટિથી આવું કશું છે જ નહીં. જેને રાઈટ દ્રષ્ટિ છે તે ભગવાન રાઈટ દ્રષ્ટિવાળા. આયે જોયા કરે. મારે તેનેય જોયા કરે ને પૈણાવે તેનેય જોયા કરે. રંડાવે તેનેય જોયા કરે કે મંડાવે તેનેય જોયા કરે. એમને રાંડેલું ને માંડેલું સરખું હોય. કારણ કે બેઉ દ્રશ્ય છે અને આમને રાંડેલું ને માંડેલું બેઉ સામાજિક વસ્તુ થઈ પડી. આ રંડાપો ને આ મંડાપો કહેવાય. મંડાપો વખતે કૂદાકૂદ ને નાચગાન કરવા અને રંડાપો વખતે રડવું, બેઉ લૌકિક. ભગવાનને ઘેર આની વેલ્યુ (કિંમત) નથી કોઈ જાતની. આ બધી દ્રષ્ટિ છે. જેવી એની દ્રષ્ટિ હોય એવું દેખાશે. માટે દ્રષ્ટિ ફેરવ, કહે છે.

ચોખ્ખી દ્રષ્ટિએ, ચોખ્ખું વાતાવરણ

પ્રશ્નકર્તા : ભગવાનને ‘શું ખોટું ને શું સારું’ એવું જ નથી, પછી પ્રશ્ન ઊભો થતો નથી.

દાદાશ્રી : એ ભગવાનની દ્રષ્ટિમાં છે. અહીં પ્રશ્ન ઊભો થાય. આપણે હજુ ભગવાન થયા નથી, ત્યાં સુધી આપણે ગુનેગાર છીએ.

પ્રશ્નકર્તા : પણ પછી તો સાચું શું ને ખોટું શું, એ પ્રશ્ન ગૌણ થઈ જાય છે ને ?

દાદાશ્રી : ના, પણ ખેદ તો થવો જ જોઈએ. આ શબ્દ દુરુપયોગ થવા માટે હું બોલતો નથી. હું જે બોલું છું તે તમને ‘બોધરેશન’ ના રહે એટલા માટે બોલું છું. કોઈના મનમાં એમ ના થાય કે ‘મને કર્મ બંધાશે’, એટલા માટે છૂટથી બોલું છું. નહીં તો હું પણ ચાળી ચાળીને ના બોલું કે ‘કર્મ તો બંધાશે, જો તમે કદી આમ નહીં કરો તો.’

ભગવાને સહુને નિર્દોષ જોયેલા. કોઈને દોષિત તેમણે જોયેલા નહીં અને આપણી એવી ચોખ્ખી દ્રષ્ટિ થશે, ત્યારે ચોખ્ખું વાતાવરણ થશે. પછી જગત આખું બગીચા જેવું લાગ્યા કરે. ખરેખર કંઈ લોકોમાં દુર્ગંધ નથી. પોતે લોકોનો

(પા.૨૧)

અભિપ્રાય બાંધે છે. અમે ગમે તેની વાત કરીએ પણ અમારે કોઈનો અભિપ્રાય ના હોય કે તે આવો જ છે !

છૂટાશે એ દ્રષ્ટિએ

અમે તો તમને કહીએ કે ચેતીને ચાલો, હડકાયેલું કૂતરું મહીં પેસી જાય છે એમ લાગે કે તરત ‘આપણું’ બારણું વાસી દો. પણ તેની પર તમે એમ કહો કે આ હડકાયેલું જ છે, તો એ અભિપ્રાય બાંધ્યો કહેવાય.

ભગવાનનું અલૌકિક જ્ઞાન તો શું કહે છે કે કોઈની ઉપર આરોપેય ના આપશો. કોઈની ઉપર અભિપ્રાય ના બાંધશો. કોઈના માટે કશો ભાવ જ ના કરશો. ‘જગત નિર્દોષ જ છે’ એવું જાણશો તો છૂટશો. જગતના તમામ જીવો નિર્દોષ જ છે ને હું એકલો જ દોષિત છું, મારા જ દોષે કરીને બંધાયેલો છું, એવી દ્રષ્ટિ થશે ત્યારે છૂટાશે.

જ્યાં સુધી પોતાના દોષો દેખાતા નથી અને પારકાના જ દોષો દેખાયા કરે છે, એવી દ્રષ્ટિ જ્યાં સુધી છે, ત્યાં સુધી સંસાર ઊભો રહેવાનો. અને જ્યારે પારકાના એકુંય દોષ નહીં દેખાય અને પોતાના બધા જ દોષો દેખાશે, ત્યારે જાણવું કે મોક્ષે જવાની તૈયારી થઈ. બસ આટલો જ દ્રષ્ટિફેર છે !

નિરંતર ફેરફારવાળું જગત

એક અહીં આગળ છે તે કોઈ ગજવા કાપનાર હોય ને, તે ગજવું કાપે છે પણ ગજવું કાપે છે તે હકીકત છે. કાપે છે તે ઘડીએ ૧૬ અવધાન રહે છે, તે પણ હકીકત છે. ક્યારે નીકળવું, કેવી રીતે કાપવું, કયા ગજવામાં કાપવું, કયા ટાઈમે કાપવું, ક્યારે છટકી જવું, કયા ઝાંપે નીકળવું, ત્યાં પોલીસ ઊભા છે બધું એના લક્ષમાં એટ એ ટાઈમ (એ સમયે), ઓન ધી મોમેન્ટ (એ ક્ષણે) ધ્યાન રહે છે. એટેન્શન. હવે એ માણસના ગજવામાંથી ત્રીસ જ નીકળ્યા. અને પાછો થોડેક છેટે ગયો તો ત્યાં આગળ એક પતિયો (રક્તપિત્તનો રોગી) દીઠો અને ત્રીસમાંથી દસ પતિયાને આપી દીધા. અરે, મૂઆ આટલો મોટો સોદો કર્યો ! એ શેઠીયાઓય નથી આપતા ને તે આટલા બધા કેમ આપી દીધા ? અને પછી ઘેર ગયો તે એના મામાની દીકરી આવેલી. ‘બેન, કોઈ દહાડો મેં તને રૂપિયા નથી આપ્યા. લે, આ વીસ તું લઈ જા.’

આવા માણસ ઉપર તમે કઈ જાતના પૂર્વગ્રહ કરશો ? માણસનો સ્વભાવ કયે ટાઈમે શું કામ કરશે એ શું ખબર પડે ? કોઈ જાતનો પૂર્વગ્રહ ના રખાય. અમને એક ક્ષણવાર પૂર્વગ્રહ ના હોય. આખું જગત બધું આમ જ છે, એમ માનીએ અમે.

પ્રિજ્યુડીસ બધા બહુ હોય છે ને ? એક માણસને આમ માની બેઠો, તે એવો ને એવો જ લાગ્યા કરે આપણને કાયમ. ખરેખર એવો હોતો નથી. હરેક સેકન્ડે ફેરફાર જ હોય છે, દરેક માણસનું. આખું જગત જ ફેરફારવાળું છે. નિરંતર પરિવર્તન થયા જ કરે છે.

પૂર્વગ્રહને પોષણ આપનાર ગુનેગાર

આ ભમરડો શાના આધારે ફરે છે તે આપણે જાણતા નથી. એટલે આપણી ધારણાથી પૂર્વગ્રહ બંધાય છે. ધારણાથી પૂર્વગ્રહ ચાલુ રહે છે. આપણે માની લીધું કે આમ જ છે. જે ઘડીએ માન્યું કે આ આવો જ છે, તે ઘડીએ તરત જ તેની અસર તેને થઈ જાય. તમારા પૂર્વગ્રહના નિમિત્તે સામો બગડી જાય. પૂર્વગ્રહને પોષણ આપનાર જ ગુનેગાર છે. એટલે પૂર્વગ્રહ બાંધનાર જ જવાબદાર છે. ક્યારેક

(પા.૨૨)

તો સામો સમાધાન કરવા આવ્યો હોય ને પેલો પૂર્વગ્રહના આધારે ઉલટો તૂટી પડે.

બધા જ ભમરડા છે તે ઉદય પ્રમાણે ફરે છે. સારો ઉદય આવે તો સારો ફરે ને ખોટો ઉદય આવે તે ખોટો ફરે, ત્યારે પૂર્વગ્રહ બાંધી દે છે, તે વળ જતો જ નથી. તેથી જ આ સંસાર ઊભો રહ્યો છે. આમાં સામાનો દોષ નથી. આપણામાં પૂર્વગ્રહો ભર્યા પડ્યા છે, પૂર્વગ્રહ કરાવનારા ભાવકો મહીં પડ્યા છે. દરેક જીવ તેના પરિણામ પ્રમાણે ફર્યા કરે, ત્યાં તમે તે શું કરશો ?

પૂર્વગ્રહથી મોક્ષમાર્ગે અંતરાય

પૂર્વગ્રહ તો રખાય જ નહીં. સારા માણસોએ તો, સંસારના લોકોએય પૂર્વગ્રહ નહીં રાખવા જોઈએ. કારણ આજે કોઈ તમારા કર્મના ઉદયને આધારે તમે મને બે ખરાબ વાક્ય અહીં બોલી ગયા, મારા માટે. તેથી હુંતમારે માટે ગ્રહ બાંધું એ મારી ભૂલ છે. કારણ એ તમારો ખરાબ ઉદય હોય ત્યારે અવળું થઈ જાય. તેથી બીજે દહાડે એવું માનવું કે તમે આવું જ બોલશો, એવું ના હોય, એ ખોટું કહેવાય. એટલે આ પૂર્વગ્રહ તો રખાય જ નહીં.

એટલે કર્મના ઉદયે એ બિચારો બોલી રહ્યો છે અને આ જે ચોરી કરી રહ્યો છે, તેય કર્મના ઉદયે ચોરી કરે છે. માટે કાલે નાય કરે. એટલે મનાય નહીં આપણે પૂર્વગ્રહના આધારે. સાવચેત રહેવા માટે વાંધો નથી પણ પૂર્વગ્રહ ના રખાય. પૂર્વગ્રહ તો તમારે મોક્ષમાં જતા મોટામાં મોટો અંતરાય છે.

જ્ઞાન પછી રહ્યો ‘ચારિત્રમોહ’

પ્રશ્નકર્તા : એટલે ખરેખર તો એ ચોરી કરવાની આખી ક્રિયા કર્મના ઉદયના આધીન છે ?

દાદાશ્રી : ઉદયના આધીન છે.

પ્રશ્નકર્તા : એ પોતે ખરેખર એમાં છે નહીં.

દાદાશ્રી : ખરેખર કરતો નથી.

પ્રશ્નકર્તા : પણ એની બિલીફમાં ભૂલ છે.

દાદાશ્રી : બિલીફમાં જ ભૂલ છે. એ ખરેખર પોતે કરે છે એવું જાણે છે તેથી એ મોહ છે. અને આપણે પોતે કરતા નથી આના એટલે એ ચારિત્રમોહ છે. પેલોયે છે તે જો કદી એનો કર્તા ના થાય તો ચારિત્રમોહ. વ્યવહારમાં તો આને મોહ કહે ને, સિનેમા જોવા ગયા હોય તે ? અરે, દાઢી કરે તેય મોહ કહે. પોતે કર્તા નથી, વ્યવસ્થિત કર્તા છે, એટલે એને અડે નહીં. તમારે વ્યવસ્થિત કર્તા રાખ્યું છે ને ?

પ્રશ્નકર્તા : હા જી.

દાદાશ્રી : વ્યવસ્થિત જોડે મેળ પડે છે ?

પ્રશ્નકર્તા : જી, હા.

પ્રશ્નકર્તા : સામાને ચોર જોવો એ પણ ચારિત્રમોહ વિભાગમાં જાય ?

દાદાશ્રી : ચોર જોવો... ચોર જોઈને ચોર માનવો એ ચારિત્રમોહ ના કહેવાય. ચોર જુઓ એ ચારિત્રમોહ.

‘સ્વરૂપ જ્ઞાન’ પછી જે ચારિત્રમોહ રહે છે એ ફરી સંસારબીજ નાખે એવો નથી, પણ એ જ્યાં સુધી હોય ત્યાં સુધી ‘સમાધિ સુખ’ ઉત્પન્ન ના થાય !

‘નિર્દોષ’ અભિપ્રાયથી શુદ્ધ ઉપયોગ

પ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાં આપનું એક વાક્ય છે કે ‘કોઈનો પણ દોષ જોવો એ ચારિત્રમોહમાં નથી.’

(પા.૨૩)

દાદાશ્રી : હા, બરોબર છે. એ તો સાપેક્ષ વાત છે બધી. અમુક અપેક્ષાએ ચાલે. એટલે દોષ બે રીતે જોવાના છે. દોષિતેય માને ને નિર્દોષેય માને. બે રીતે માનતો હોય તો વાત જુદી છે.

પ્રશ્નકર્તા : બે રીતે કઈ રીતે મનાય ?

દાદાશ્રી : આ દોષ પોતે કરતો નથી એને દોષિત માનવાનો ? પોતે કરતો નથી તે ભાગમાં દોષિત માને. જગતના લોકો એને દોષિત જ કહે છે ને ? એવું આપણેય વ્યવહારથી કહીએ, આપણને અંદરથી નથી આ. એ નિર્દોષ છે. એ પોતે કરતો નથી, માટે નિર્દોષ છે.

મોક્ષ વિજ્ઞાનમાં ‘હું કરું છું, તું કરું છું કે તેઓ કરે છે’ એ નથી. એટલે ‘હું શુદ્ધાત્મા છું’ તો કોઈ કર્તા દેખાવો ન જોઈએ ને ‘શુદ્ધાત્મા છું’ એનો શુદ્ધ ઉપયોગ ક્યારે કહેવાય કે જગત આખુંય છે તે નિર્દોષ આપણા અભિપ્રાયમાં રહેવું જોઈએ. વર્તનમાં ગમે તેવું થયું હોય પણ અભિપ્રાયમાં રહેવું જોઈએ. શુદ્ધાત્મા જ છે.

આ આંખે છે તે લાલચંદ દેખાય છે ને પેલી આંખે શુદ્ધાત્મા છે. પછી હવે તમારે અશુદ્ધ જોવાનું જ ક્યાં રહ્યું ? એ જ શુદ્ધ ઉપયોગ. અને એવો ઉપયોગ થયો એટલે સમતા જ હોય.

શુદ્ધમાં રહીને ‘શુદ્ધ’ જ જુઓ

આપણે જે માર્ગ બતાવ્યો તેમાં ચૂકવું નહીં એનું નામ ઉપયોગ, શુદ્ધ ઉપયોગ. હું શુદ્ધાત્મા છું ને બીજાનામાં શુદ્ધ જ જોવું. અશુદ્ધ દેખાડે મહીં. પેલી બુદ્ધિ દેખાડે, એ આમ છે, તેમ છે. એ આપણે નહીં જોવાનું. મારે શું લેવાદેવા ? એની અશુદ્ધતાને મારે શું ? સહુ સહુને ઘેર પેલી કુંડીઓ હોય, ગટરો હોય, મહીં સંડાસ હોય, મારે શું લેવાદેવા ?

આપણે તો રિયલમાં શું છે એ જ જોયા કરવાનું. બહાર ખોખાને જોવાની જરૂર નહીં. ખોખાને જોયું કે ગૂંચવાડો ઊભો થયો. તમે રિયલ જોયા કરજો. પછી એમના મનમાં એમ થશે કે આ માણસે મારી પર કંઈ જાદુ કર્યો છે કે શું છે આ ?

એટલે મારું કહેવાનું, આપણે હવે એના શુદ્ધાત્મા જુઓ. એ માણસ એવા નથી હોતા, એ એનું પેકિંગ એવું છે. આત્મા એનો ચોખ્ખો છે. દરેક માણસને તમારે આત્મા રીતે જોવો. કોઈ માણસ જો મહીં સળી કરે એવો હોય તો આત્મા રીતે જોવો અને ના સળી કરે ત્યાં આગળ રોફ મારવો (સરળ વ્યવહાર કરવો). એ તો સેફ સાઈડ છે જ ! અને આ તો બિવેર (સાવચેત) ! એટલે આવી રીતે જોજો તમે, આ અમારી આજ્ઞા! પછી એનેય સંતોષ રહે, આપણને સંતોષ રહે.

‘શુદ્ધાત્મા’ સિવાય કોઈ અભિપ્રાય નહીં

સામાના અભિપ્રાય કેટલા રાખવાના છે ? શુદ્ધાત્મા છે એટલું જ. ધોળા વાળ છે કે કાળા વાળ, કંઈ ગણવા જઈએ આપણે ? કેટલી ચીજો ગણવાની કહીએ છીએ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : સામાને એ સ્ત્રી છે કે પુરુષ છે એ આપણે શું કામ છે તે ? આપણે તો આત્મા જુઓ ને ! ઘરડી છે કે જવાન છે, એ શું જરૂર છે ? અને જુઓ તો બધુંય જુઓ. એકલી જવાની કેમ જુઓ છો ?

પ્રશ્નકર્તા : હા, તે બધા હાડ-ચામડાં બધુંય જુઓ.

દાદાશ્રી : એમ જુઓ તો બધુંય જુઓ.

એ તો એવો જ છે, આ સમજ તે અભિપ્રાય.

(પા.૨૪)

એ ન બાંધવો. એકવાર શુદ્ધાત્માનો બાંધી દીધો, પછી બીજો અભિપ્રાય શું કામ બાંધો છો ? આપણે તો એક જ અભિપ્રાય બાંધવો કે આ શુદ્ધાત્મા છે પણ બીજો અભિપ્રાય જ ના બાંધવો. પછી ભલેને તેની પાસે બીજી જુદી જુદી જાતની અનેક ડિગ્રીઓ હોય.

અભિપ્રાય કાઢવા ખપે જાગૃતિ

એટલે હવે અભિપ્રાય ના આપશો. આ સારો માણસ આવ્યો, આ ખરાબ માણસ આવ્યો, કોઈનો અભિપ્રાય નહીં આપો એટલે મન બંધ. આ સહેલામાં સહેલો રસ્તો છે.

અભિપ્રાયથી આ મન ઊભું થયું છે અને અભિપ્રાય બંધ કરે તો મન બંધ થઈ જાય. મારો અભિપ્રાય જ નથી કોઈની ઉપર, સહેજેય અભિપ્રાય નહીં કે આ ભાઈ સારા છે ને આ ખરાબ છે, એવું કશુંય નહીં. ગાળ ભાંડે તોય ખરાબ નથી અને ફૂલ ચઢાવે તોય સારા નથી. અભિપ્રાય જેને ના હોય, તેને પ્રિજ્યુડીસ તો હોય જ નહીં ને ! તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : ખરું છે.

દાદાશ્રી : અને તમારે તો અભિપ્રાય ને પ્રિજ્યુડીસ પજવે છે. તમને એ કૈડ કૈડ કરે, રાત્રે હઉ કૈડે.

પ્રશ્નકર્તા : પણ એનો રસ્તો શો ?

દાદાશ્રી : તે આ અભિપ્રાય આપવાના બંધ કરી દો. મેં રસ્તો બતાવ્યો ને, પણ એને માટે જાગૃતિ જોઈએ. અભિપ્રાય બાંધે તો પ્રિજ્યુડીસ થાય ને ?

જ્ઞાન ઉપયોગે થવાય અભિપ્રાય રહિત

પ્રશ્નકર્તા : સંપૂર્ણ અભિપ્રાય રહિત કેવી રીતે થવાય ?

દાદાશ્રી : આ તમને અભિપ્રાય રહિત જ જ્ઞાન આપ્યું છે. બાય રિયલ વ્યુ પોઈન્ટ એ ‘શુદ્ધાત્મા’ છે અને બાય રિલેટીવ વ્યુ પોઈન્ટ એ ‘નગીનભાઈ’ છે. રિલેટીવ માત્ર કર્મના આધીન હોવાથી ‘નગીનભાઈ’ પણ નિર્દોષ છે. જો પોતાના સ્વાધીન હોય તો ‘એ’ દોષિત ગણાત, પણ ‘એ’ બિચારો ભમરડાંની પેઠ છે. એટલે ‘એ’ નિર્દોષ છે. ‘આમ શુદ્ધાત્મા છે અને બહારનું નિર્દોષ છે.’ બોલો હવે, ત્યાં આગળ અભિપ્રાય રહિત જ રહેવાય ને !

છૂટકારો પ્રતિક્રમણ થકી

પ્રશ્નકર્તા : પહેલાં આ બધું ઊંધું થઈ ગયેલું હોય કે પોતાના અભિપ્રાયો પડી ગયેલા હોય, તે આ બધું એને ધોવાનું કેવી રીતે ?

દાદાશ્રી : એ તો જે ટાઈમે થયું હોય, ફરી પાછાં એ ટાઈમમાં જવાય નહીં.

પ્રશ્નકર્તા : એવું જે કર્મ બંધાઈ ગયું હોય તો એનો છુટકારો કેવી રીતે થાય ?

દાદાશ્રી : એ તો કાં તો ભોગવે જ છૂટકો થાય, કાં તો જ્ઞાની પુરુષ મળે ત્યારે મહીં થોડા ઘણા નાશ કરી આપે. અમુક પ્રકારના નાશ થાય છે, બધી પ્રકારના નાશ ના થાય. એ પાણીરૂપે ને વરાળરૂપે હોય તો નાશ થાય ને બરફરૂપે ના થાય. બરફ એટલે જામી ગયા કહેવાય. પ્રતિક્રમણથી ઘણા નાશ થાય. એટલે શૂટ ઑન સાઈટ રાખવું.

પ્રશ્નકર્તા : કોઈ પૂર્વગ્રહ અથવા તો અભિપ્રાય બહુ કઠણ હોય, તેને વારંવાર પ્રતિક્રમણ કરવાથી ધોવાઈ જાય ?

દાદાશ્રી : હા, પ્રતિક્રમણ કર કર કરે ને, એટલે ધોવાઈ જાય બધું. પૂર્વગ્રહ કેમ થાય છે ? ત્યારે કહે, ‘એને જ ચોપડ ચોપડ કર્યું.’

(પા.૨૫)

અતિક્રમણ કર કર કર્યા. એટલે પ્રતિક્રમણ કરે એટલે ધોવાઈ જાય.

પૂર્વગ્રહ છૂટતા થાય પરમાત્મા

માણસ પૂર્વગ્રહથી રહિત થાય તો પરમાત્મા થાય. ગઈકાલે જેણે લૂંટી લીધો’તો આપણને એ જ માણસ સામેથી આવતો હોય તોયે ભગવાન કહે કે પૂર્વગ્રહ ના રાખીશ. આજે તને એ પાછું આપવા આવતો હોય. લૂંટવા આવે છે કે શું કરવા આવે છે એ શું ખબર પડે ? એટલે અમે પૂર્વગ્રહ ના રાખીએ. પૂર્વગ્રહ રાખવો એ ગુનો છે. કારણ કે આપણે જ્ઞાની નથી કે આપણે એનો એ ભાવ પકડી શકીએ. ઘણા ફેરા માણસો એવા આવે છે કે તમને મનમાં એમ થાય કે એ આવ્યો તે ઘડીએ મને કંટાળો આવ્યો તો એને હું એમ જ કહેવાનો હતો કે જો ભઈ, શું કામ છે અહીં ? એવું કહેવાનો હતો પણ આ તો ના કહ્યું તે સારું થયું. આ માણસ તો જુદી જાતનો નીકળ્યો, એવું ઘણા ફેરો બને કે ના બને?

પ્રશ્નકર્તા : બને.

દાદાશ્રી : માટે પૂર્વગ્રહ કોઈ જગ્યાએ તમે રાખશો નહીં. માણસ ક્ષણે ક્ષણે ફરતો છે. કારણ કે એને પોતાને સ્વાધીન નથી ને !

તમને સમજણ પડી ? આ ઝીણી વાત પૂછી છે તમે ગ્રહોની. આ વાતથી બધાય ગ્રહો નીકળી જાય અને સર્વસ્વ સુખી થઈ જાય. આ ગ્રહો જેના ગયા, એ જ પરમાત્મા.

આપણી ભૂલો જ આપણી ઉપરી

આ નવ ગ્રહોની સ્થિતિ સમજાઈ ગઈ ને ? આપણામાં હોય તો નડે ને? આપણા જ ગુના તેથી આ ગ્રહો નડે, બાકી ગ્રહો કંઈ નવરા નથી તમારા હારુ. આ પોલીસવાળા નવરા હોય છે કંઈ ?

પ્રશ્નકર્તા : ના, દાદા.

દાદાશ્રી : તમારો ગુનો થાય નહીં, તો કોઈ નામ જ ના દે ને! અને તમારો ગુનો થયો એટલે એ તમારો ઉપરી. આ ભૂલો જ તમારી ઉપરી છે, બાકી કોઈ ઉપરી નથી. ભૂલ નહીં કરો તો કોઈ ઉપરી નથી.

આ તો છે ક્રિયાકારી વિજ્ઞાન

આ તો વિજ્ઞાન છે ! વિજ્ઞાન તો ચોખ્ખું જ હોય. સમજણ પડે ત્યારથી તે અમલમાં જ આવી જાય. હવે આ વાત સાંભળીને એટલે તમારા આ ગ્રહો છૂટવા જ માંડશે. એમાં ખોટ છે એવું સમજે ત્યારથી છોડવા માંડે. પણ ખોટું છે એવું પ્રતીતિમાં આવવું જોઈએ, સાચેસાચું સમજાવું જોઈએ.

પ્રશ્નકર્તા : આ વિજ્ઞાનની વ્યાખ્યા જ પૂર્વગ્રહનો વિરોધી.

દાદાશ્રી : પૂર્વગ્રહ નહીં, બધા જ ગ્રહોથી વિરોધી. બધા જ ગ્રહોથી વિરુદ્ધ. વીતરાગો તો નિરાગ્રહી હતા. ગ્રહ-બ્રહ કશુંય ના નડે અને નવ ગ્રહો નડે છે ને, તેમાં પૂર્વગ્રહ હઉ આવી ગયો. અલ્યા મૂઆ ! મેં ધાર્યું હતું શું ને તું નીકળ્યો શું ? એવું બને કે ના બને ? એટલે આ બધા પૂર્વગ્રહના નડે છે કાયદા. એટલે પૂર્વગ્રહ રાખશો ?

પ્રશ્નકર્તા : નહીં...

દાદાશ્રી :અમારા કહેલા શબ્દમાં રહે ને, તો સંસાર સરસ ચાલે એવો છે અને મોક્ષે પણ જવાય. એટલું સુંદર વિજ્ઞાન છે આ ! અને ક્ષણે ક્ષણે વિજ્ઞાનનો ઉપયોગ થાય એવું છે, પણ વિજ્ઞાન વાપરતાં આવડવું જોઈએ.

જય સચ્ચિદાનંદ