ગમતા - ના ગમતામાં સમતા

સંપાદકીય

પરમ પૂજ્ય દાદા ભગવાન જગતની વાસ્તવિકતા ખુલ્લી કરતા કહે છે કે જગતમાં શુદ્ધાત્મા અને સંયોગ બે જ વસ્તુ છે. ‘શુદ્ધાત્મા’ શાશ્વત છે અને સંયોગો વિનાશી છે, પર ને પરાધીન છે. એ સંયોગો નિરંતર બદલાયા જ કરે છે. પણ આ બુદ્ધિએ તો સંયોગના જાતજાતના ભેદ પાડ્યા. એકને જલેબીનો સંયોગ ગમે તો તેને એ સારું કહે ને બીજાને ના ગમે તો એ ખરાબ કહે, એમાં અભિપ્રાય આપી રાગ-દ્વેષ ઊભા થાય. એથી તો આ સંસાર ઊભો છે.

હવે આપણે મહાત્માઓને એ સંયોગોનો સમભાવે ને સમતાભાવે નિકાલ કરવાનો મોટો પુરુષાર્થ બાકી રહે છે. ગમતામાં તન્મયાકાર થઈ જવાય ને ના ગમતામાં દ્વેષમાં પડીએ, ભોગવટામાં રહીએ એ બધી કચાશો છે હજુ. આમાં ભૂલ ક્યાં થાય છે કે કેરીનો રસ ગમે છે માટે કારેલાનો કડવો રસ નથી ગમતો. હવે કડવો રસ ગમતો થઈ જાય એવા ભાગાકાર કરીને કડવો રસ પણ લેતા જઈશું તો નોર્માલિટી આવશે.

એ માટે અભિપ્રાય બદલવાના છે. વસ્તુ છોડવાની નથી કે ગ્રહણ કરવાની કડાકૂટમાં પડવાનું નથી. અભિપ્રાય બદલાશે તો ગમતા-ના ગમતામાં સમભાવ રહેશે. આપણે જાગૃતિ રાખી અકળામણ કે મીઠું બેઉમાં સમભાવ લાવવાનો છે. વિષય, પાંચ ઇન્દ્રિયોના સુખો, માન, ધાર્યું કરવું, ચલણ, સત્તામાં ક્યાંક સુખ લાગે છે માટે પેલું અપમાન, શરીરની વેદના કડવી લાગે છે. એટલે જેમ અભિપ્રાય બદલાય કે વસ્તુ કે વ્યક્તિમાં નહીં પણ શુદ્ધાત્મામાં જ સુખ છે, આ તો કર્મનો હિસાબ છે. પૂર્વે પુણ્ય કર્મ બાંધ્યું હોય તો મીઠું ભેગું થાય અને પાપ કર્મે, કડવું ભેગું થાય.

ના ગમતું ચોખ્ખા મને સહેવાશે એટલે આપણને તો સમભાવ રહ્યો પણ ચંદુને હજુ સમભાવ નથી રહેતો. એટલે ફર્સ્ટ સ્ટેપ આપણને સમભાવ રહ્યો અને સેકન્ડ સ્ટેપમાં ચંદુને ગમતા-ના ગમતામાં કશી અસર ના થવી જોઈએ. ના ગમતું ચોખ્ખા મને સહેવાશે એટલે શું ? કે ના ગમતી વ્યક્તિ માટે સહેજે અભાવ, ફરિયાદ, દ્વેષ ના હોય. એને ગુનેગાર તરીકે બચકા ભરવા ના જોઈએ. ના ગમતું ચોખ્ખા મને સહેવાય ગયું એટલે મનથી, બુદ્ધિથી પણ ડખલ ના થઈ ત્યારે ખરેખરી ફાઈલ પૂરી થઈ આપણી.

પ્રસ્તુત સંકલનમાં દાદાશ્રી, મહાત્માઓને ગમતા કે ના ગમતા સંયોગોમાં જ્ઞાને કરી સમતા રાખવાના પુરુષાર્થ પ્રત્યે અંગૂલી નિર્દેશ કરે છે. હવે આ ધ્યેયમાં જાગૃત રહી પુરુષાર્થ માંડીશું. સમતાપૂર્વક ફાઈલ પૂરી કરીશું તો આગળ સ્પષ્ટવેદન અને વીતરાગનું સ્ટેશન ચોક્કસ આવી ઊભું રહેશે એ જ અભ્યર્થના.

જય સચ્ચિદાનંદ.

ગમતા - ના ગમતામાં સમતા

(પા.૪)

કર્મ ભોગવ્યે જ છૂટકો

પ્રશ્નકર્તા : દાદા, હું સત્સંગમાં આવું છું તે ઘરવાળાને ગમતું નથી. બાકી આપણે એમની સાથે કોઈ દહાડો અવળો વ્યવહાર કરતાં નથી, છતાંય ખુશ કેમ થતાં નથી ?

દાદાશ્રી : તારે હિસાબ ભોગવવાનો છે, ત્યાં સુધી તેઓ ખુશ કેમ કરીને થાય?

પ્રશ્નકર્તા : ખુશ ના થાય તોય વાંધો નહીં, પણ નોર્મલ રહેને તોય આપણને ગમે.

દાદાશ્રી : નોર્મલ રહે જ નહીં. નોર્મલ ના હોય તોય આપણે ‘ખુશ જ છે’ એમ માનવું. એમને આપણે નથી ગમતા. આપણા આચાર-વિચાર છે એ એમને ગમતા નથી એવું જાણીએ છતાંય આપણે એમની જોડે બેસીને ખાવું પડે, રહેવું પડે, ઊંઘવું પડે, હા કહેવી પડે. શું થાય, છૂટકો જ નહીં ને ? એ કર્મ ભોગવ્યે જ છૂટકો. જે કાળે, જે ક્ષેત્રે, જે દ્રવ્ય-ભાવ બધુંય સાથે થઈને જે ભોગવવું, એમાં ચાલે જ નહીં.

સંયોગ માત્ર દુઃખદાયી

સંયોગો બે જાતના; ગમતા અને ના ગમતા. ના ગમતા સંયોગો એ અધર્મનું ફળ-પાપનું ફળ છે અને ગમતા સંયોગો એ ધર્મનું-પુણ્યનું ફળ છે અને સ્વધર્મનું ફળ મોક્ષ છે.

એકના એક સંયોગો, એકને ગમતા આવે અને બીજાને ના ગમતા આવે. દરેક સંયોગનું આવું છે. એકને ગમે ને બીજાને ના ગમે. જે ગમતું ભેગું કરી રાખ્યું, તેનો વિયોગ ક્યારે થશે તેનું શું ઠેકાણું ? પાછું એવું છે કે એક સંયોગ આવે ને બીજો આવે, પાછો ત્રીજો આવે. પણ એક આવ્યો તેનો વિયોગ થયા વગર બીજો સંયોગ ના આવે.

સંયોગ માત્ર દુઃખદાયી છે, પછી તે ગમતા હો કે ના ગમતા હો. ગમતાનો વિયોગ થાય તે દુઃખ અને ના ગમતાનો સંયોગ થાય તેય દુઃખ, અને નિયમથી તો બંનેયનો સંયોગ-વિયોગ, વિયોગ-સંયોગ જ છે.

ભગવાને કહ્યું કે સુસંયોગો છે અને કુસંયોગો છે, જ્યારે કુસંયોગને લોક એમ કહે છે કે આની બુદ્ધિ બગડી છે. ફોજદાર આવીને પકડી જાય તે કુસંયોગ ને સત્સંગમાં જવા મળે તે સુસંયોગ. આ જગતમાં સંયોગ એટલે કે પૂરણ અને વિયોગ એટલે કે ગલન, એ સિવાય બીજું કશું જનથી.

માત્ર ‘અ’ નો ‘સ’ જ કરવાનો છે

પ્રશ્નકર્તા : ના ગમતાને ગમતું કેવી રીતે કરવાનું ?

દાદાશ્રી : અગવડનો ‘અ’ કાઢીને ‘સ’ મૂકી દીધું. ગમતું ને ના ગમતું છૂટી ગયું એટલે અંતરાય તૂટ્યા. અમારી પાસે બધા અંતરાય તૂટી જાય ને પછી ! પછી તો ભોગના અંતરાય તૂટે. પછી ઉપભોગના અંતરાય તૂટે. જમવા બેસે તો સારી ચીજો લોક મૂકી જાય.

પ્રશ્નકર્તા : ગમતું-ના ગમતું છૂટી ગયું એટલે ?

દાદાશ્રી : ના ગમતાને ગમતું કર્યું તે. છૂટી ગયું નહિ પણ ના ગમતાને ગમતું કર્યું, તે પછી અંતરાય તૂટે ને !

સંજોગોના સાયન્સની સમજ

પ્રશ્નકર્તા : આ ના ગમતા-ગમતા સંજોગો ઊભા કોણ કરે છે ?

દાદાશ્રી : એ તો આપણું છે તે લાઈક-ડિસ્લાઈક જુએ છે કે આપણને શું ગમે છે ! જે

(પા.૫)

ગમે છે એ જાતના સંજોગ ઊભા થાય, આપણને ગમતા. જેમ ચોરી કરવી એ જ ગમે, તો ચોરનો સંગ મળી આવે અને આજુબાજુમાં ફ્રેન્ડ સર્કલ, બીજું બધું મળી આવે. હવે અહીં જેને ચોરી કરવી ના ગમતી હોય, એ ડિસ્લાઈક કર્યું હોય, એણે દ્વેષ કર્યો હોય એ ચોર લોકો જોડે, તોય એ ભેગા થઈ જાય. રાગ-દ્વેષ કર્યા તેનાથી આ બધાં સંજોગો ભેગા થાય છે. રાગ-દ્વેષ ના કરો તો કશાં સંજોગ ભેગા ના થાય. અમને એવા સંજોગ ભેગા ના થાય, અમને રાગ-દ્વેષ નહીં ને ! અમને ધોલ મારો તોય અમને એની ઉપર દ્વેષ ના આવે, અમે એને આશીર્વાદ આપીએ. એટલે રાગ-દ્વેષથી આ થાય છે. તે આ ‘જ્ઞાન’ મળ્યા પછી રાગ-દ્વેષ ના થાય. રાગ-દ્વેષ એ કૉઝીઝ છે, એમાંથી ઈફેક્ટમાં સંજોગો ઊભા થાય છે.

આ સંજોગો ઊભા થાય છે એ તમારા ગયા અવતારના બધા કૉઝીઝ છે, એનું આ પરિણામ છે. ગયા અવતારે કૉઝીઝ ભેગા કર્યા છે, એ કૉઝીઝના આધારે તમને મા-બાપનો સંજોગ ભેગો થાય. મા-બાપ સારા ભેગા થાય, ભઈઓ સારા ભેગા થાય. નહીં તો મા-બાપ કકળાટવાળા હોય. મા-બાપ ચોર હઉ મળે. એટલે તમારે કૉઝીઝ સારાં જ કરવાં જોઈએ કે જેથી તમને બધા સંજોગો ઓલરાઈટ (બરાબર) હોય અને ત્યાં જતાં પહેલાં ગાડી-બાડી મળે એવું જોઈએ. આ તો ગાડી તો ના મળે પરંતુ પગમાં બૂટ પણ ના મળે ઈન્ડિયામાં, એવા સંજોગો લઈને આવ્યા !

એ સંજોગો શેનાથી ઊભા થાય છે ? ત્યારે કહે, ‘તમે જગતને સુખ આપો, મનુષ્ય, જીવમાત્રને, તો સંજોગો બધા સારા થાય. દુઃખ આપો તો સંજોગો બગડે.’ એટલે ભગવાનની આમાં લેવાદેવા નથી. તમારું જ આ ક્રિએશન છે અને તમારું જ છે તે પ્રોજેક્શન છે.

નાનાં છોકરાંને કડવી દવા પીવડાવો ત્યારે શું કરે ? મોઢું બગાડે ને ! અને ગળી ખવડાવીએ તો? ખુશ થાય. આ જગતમાં જીવમાત્ર રાગ-દ્વેષ કરે છે એ કૉઝ છે બધા અને તેમાંથી આ કર્મો ઊભાં થયાં છે. જે પોતાને ગમે છે એ અને ના ગમતા, એ બેઉ કર્મ આવે છે. ના ગમતા કૈડીને જાય, એટલે દુઃખ આપીને જાય અને ગમતા સુખ આપીને જાય. એટલે કૉઝીઝ ગયા અવતારે થયેલા છે, તે આ ભવમાં ફળ આપે છે.

ગમતામાં તન્મયાકાર ત્યાં પડે બીજ

આપણે ગયા અવતારે જે ભાવ કરેલાં ને, એટલે અહંકાર જે છે ને, તે મનમાં તન્મયાકાર થાય છે પોતાને ગમતી વાત આવે ત્યારે. અને ના ગમતી વાત હોય ત્યારે તન્મયાકાર થાય?

પ્રશ્નકર્તા : ના ગમતું હોય તો ઊલટો સામો થાય.

દાદાશ્રી : હા, ત્યાં ભેગા ના થાય અને પછી કહે, ‘મને ના ગમતા વિચાર આવે છે.’ એટલે ના ગમતા વિચાર આવે છે ત્યારે એ છૂટો રહે છે. ના ગમતામાં એટલો વખત છૂટો રહે છે. જ્યારે ગમતામાં તું ફસાઈ જઈશ. તો એ ગમતું આવે ને, એટલે તન્મયાકાર થાય અને એટલે એ વખતે કર્મનું બીજ પડે છે. એને અવસ્થિત કહે છે. મનની અવસ્થામાં ‘પોતે’ અવસ્થિત થઈ ગયો અને તેનું આ ફળ ‘વ્યવસ્થિત’ આપે છે. ત્યાંથી પછી ‘વ્યવસ્થિત’ના તાબામાં, ‘કોમ્પ્યુટર’ના તાબામાં જાય છે. એટલે કોમ્પ્યુટર પછી ફળ આપે છે.

ગમા-અણગમામાંથી રાગ-દ્વેષ

ગમો અને અણગમો, એ બે ભાગ છે. ગમતું એટલે ઠંડક ને અણગમતું એટલે અકળામણ. આ ગમતું જો વધારે પ્રમાણમાં થઈ જાય તો તે પાછું અણગમતું થઈ જાય. તમને જલેબી ખૂબ ભાવતી હોય ને તમને રોજ આઠ દિવસ સુધી રાત-દા’ડો જલેબી જ જમાડ જમાડ કરે, તો તમને શું થાય ?

(પા.૬)

પ્રશ્નકર્તા : તો પછી એ ના ગમે, કંટાળો આવે એનો.

દાદાશ્રી : ગમો-અણગમો જો એક્સેસ થઈ જાય તો તે રાગ-દ્વેષમાં પરિણમે અને એ જો સહજ જ રહે તો કશું નડતું નથી. કારણ કે ગમો-અણગમો એ નોકર્મ છે, હળવા કર્મ છે, ચીકણા નથી. એનાથી કોઈને નુકસાન ના થાય.

પ્રશ્નકર્તા : દાદા, ગમો-અણગમો એ જ રાગ-દ્વેષ છે ને ?

દાદાશ્રી : ના, એ રાગ-દ્વેષ ન કહેવાય. ગમો અને અણગમો એ જ્ઞાની પુરુષનેય હોય. આ જ્ઞાની પુરુષ પણ ગાદી અહીં હોય ને બાજુમાં ચટાઈ હોય તો તે ગાદી પર બેસે. કારણ કે વિવેક છે અને તે સર્વને માન્ય છે. પણ કોઈ કહે કે ‘અહીંથી ઊઠીને ત્યાં બેસો.’ તો અમે તેય કરીએ. અમારે પણ ગમો-અણગમો હોય. તમે અહીંથી ઊઠાડીને ભોંયે બેસાડો તો અમે ત્યાં લાઈક કરીને (ગમાડીને) બેસીએ. અમારે લાઈક-ડિસ્લાઈકનો સહેજ પૂર્વપર્યાય (ભરેલો માલ) હોય. બાકી, આત્માને એમ ના હોય. ગમો-અણગમો એ ચેતનતાનું ફળ નથી.

ગમા-અણગમાની વિશેષ સમજણ

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે જ્ઞાનીને પણ ગમો-અણગમો હોય એ કેવી રીતે ?

દાદાશ્રી : અત્યારે હું ત્યાં આગળ આવું, બેસવા તમારે ત્યાં, તે મારે માટે તમે જગ્યા કરી હોય ત્યાં હું બેસું. પણ એથી કરીને અમને એ ગમે છે તેવું નથી. આ મૂળ ત્યાં જ ગમે છે અમને અને પછી કોઈ કહેશે, ‘ના, અહીં નહીં બેસવાનું’, તો વાંધો નથી અમને.

પ્રશ્નકર્તા : તો એ એમાં વીતરાગ રહ્યા બરાબર છે.

દાદાશ્રી : એટલે એને લાઈક-ડિસ્લાઈક કહે છે. આને રાગ-દ્વેષ નથી કહેતા, લાઈક-ડિસ્લાઈક.

પ્રશ્નકર્તા : બરાબર દાદા, પણ જે ગમો-અણગમો, જેમાં થોડું તન્મયાકારપણું હોય છે.

દાદાશ્રી : ગમો-અણગમો વિવેક ઉપર જાય છે.

પ્રશ્નકર્તા : હા, વિવેક ઉપર જાય ત્યાં સુધી બરાબર છે ત્યાં સુધી રાગ-દ્વેષ નથી. પણ ગમા-અણગમામાં જે થોડું તન્મયાકારપણું થાય છે !

દાદાશ્રી : થાય, તન્મયાકાર થાય.

પ્રશ્નકર્તા : એટલે ત્યાં થોડા ભલે મંદ પણ રાગ-દ્વેષ થયા ને ?

દાદાશ્રી : રાગ-દ્વેષ શબ્દ જ ના હોય. રાગ-દ્વેષ ક્યારે કહેવાય કે ‘હું પોતે જ છું ચંદુલાલ’ ને ‘એ જ છું’ એમ ડિસીઝન આ પાછું આવી જાય, મૂળ આવી જાય અને આજ્ઞા ના પાળતો હોય ત્યારે રાગ-દ્વેષ કહેવાય. રાગ-દ્વેષ એ પોતે કર્મ કહેવાય. આને (જ્ઞાન પામેલાને) કર્મ બંધાય નહીં.

પ્રશ્નકર્તા : બરાબર.

દાદાશ્રી : ગમે તેવું રાગ-દ્વેષ છે એવું દેખાય ખરું પણ જીવંત નથી એ, એ અજીવ ભાગ છે. પેલા રાગ-દ્વેષ અને આના રાગ-દ્વેષમાં ફેરફાર ના હોય એવું લાગે પણ આ અજીવ ભાગ છે.

પ્રશ્નકર્તા : તો દાદા, ગમો-અણગમો અને રાગ-દ્વેષ એમાં કેવો તફાવત છે ?

દાદાશ્રી : ગમો-અણગમો તો રતિ-અરતિ જેવી વાત, લાઈક એન્ડ ડિસ્લાઈક જેવું.

પ્રશ્નકર્તા : લાઈક હોય ત્યારે ? રાગ હોય ત્યારે લાઈક હોય ને ?

દાદાશ્રી : એનો સવાલ જ નહીં. લાઈક-

(પા.૭)

ડિસ્લાઈકનો વાંધો નહીં. પણ રાગ એટલે શું ? આ ગમામાં આત્મા ભળે તો રાગ કહેવાય ને આત્મા ના ભળે તો રાગ ના કહેવાય. અને અણગમો થાય પણ આત્મા ભળે તો દ્વેષ કહેવાય ને અણગમો થાય ત્યાં આત્મા ભળે નહીં ને જાણે તો દ્વેષ ના કહેવાય. આ ગમો-અણગમો એને ભગવાને રાગ-દ્વેષ નથી કહ્યા. રતિ-અરતિ કહ્યું. આ રતિ-અરતિ એ તો નો કષાય છે, એનો વાંધો નથી. રાગ-દ્વેષનો ભગવાને વાંધો કહ્યો.

સંયોગોનું વિજ્ઞાન

જગતમાં ‘શુદ્ધાત્મા’ અને ‘સંયોગ’ બે જ વસ્તુ છે. બહાર ભેગા થાય તે સંયોગ. હવા ઠંડી લાગે, વિચારો આવે એ સંયોગ, પણ બુદ્ધિથી ‘આ ખરાબ છે અને આ સારું છે’ તેમ દેખાય, અને તેનાથી રાગ-દ્વેષ કર્યા કરે છે. જ્ઞાન શું કહે છે કે ‘બંને સંયોગ સરખા જ છે. સંયોગથી તું પોતે મુક્ત જ છે, તો પછી ડખો શું કામ કરે છે ? આ સંયોગ તને પોતાને શું કરવાનો છે ?’ આ તો સંયોગ છે તે કશું જ કરનાર નથી, પણ બુદ્ધિ ડખો કરાવે છે. બુદ્ધિ તો સંસારનું કામ કરી આપે.

આ બુદ્ધિએ તો જાતજાતના સંયોગના ભેદ પાડ્યા. કોઈ કહે કે ‘આ સારું’, ત્યારે કોઈ કહેશે કે ‘આ ખરાબ !’ એકને જલેબીનો સંયોગ ગમે તો તેને એ સારું કહે ને બીજાને એ ના ગમે તો એને એ ખરાબ કહે. એમાં પાછો અભિપ્રાય આપે કે ‘આ સારું ને આ ખરાબ’, તે પછી રાગ-દ્વેષ ઊભા થઈ જાય, એથી તો સંસાર ઊભો છે. આ નાના છોકરાને હીરો અને કાચ આપ્યો હોય તો એ કાચ રાખે અને એનો બાપ હીરો લઈ લે, કારણ કે બુદ્ધિથી બાપ હીરો લે. બુદ્ધિથી તો સંસારફળ મળે એવું છે.

લોકોને ના ભાવતું નથી ગમતું અને ભાવતું ગમે છે પણ વસ્તુ એક જ છે, બેઉ સંયોગો જ છે. પણ આ તો એકને ફાવતું, ઈષ્ટ સંયોગ અને બીજાને ના ફાવતું, અનિષ્ટ સંયોગ કર્યા; તે કોઈ અનિષ્ટ સંયોગ આવ્યો હોય તો કહે, ‘આ ક્યાં ચા પીવા આવ્યો ?’ અને ઈષ્ટ સંયોગ આવ્યો હોય તો ના પીવી હોય તોય પરાણે એને ચા પીવડાવે. આની પાછળ રૂટ કોઝ શું છે ? ‘આ સારું અને આ ખોટું’ એમ કહે છે તે ? ના, પણ પેલી મિથ્યાત્વ દ્રષ્ટિ છે તેથી આમ કરે છે. મિથ્યાત્વ દ્રષ્ટિને લીધે ખરું શું ને ખોટું શું એનું ભાન જ નથી.

કેટલાકને દિવસ ફાવે ને રાત ના ફાવે, પણ આ બંને સંયોગો રિલેટિવ છે. રાત છે તો દિવસની કિંમત છે અને દિવસ છે તો રાતની કિંમત છે !

વીતરાગ ભગવાન શું કહે છે કે ‘આ બધાં સંયોગો જ છે અને બીજો આત્મા છે, એ સિવાય ત્રીજું કશું જ નથી.’ એમને ખરું-ખોટું, સારું-નરસું કશું જ ના હોય. ‘વ્યવસ્થિત’ શું કહે છે કે ‘આ સંયોગોમાં તો કોઈનું કિંચિત્માત્ર પણ વળે નહીં, બધો પાછલા ચોપડાનો હિસાબ માત્ર જ છે.’ વીતરાગોએ શું કહ્યું કે બધા સંયોગો એક સરખા જ છે. આપવા આવ્યો કે લેવા આવ્યો, બધું એક જ છે, પણ અહીં બુદ્ધિ ડખો કરે છે. સંયોગોના માત્ર ‘જ્ઞાતા-દ્રષ્ટા’ જ રહેવા જેવું છે. આ સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે. ભેળા થવાના સંયોગ પૂરા થાય એટલે વિખરાય ત્યારે જે મણનું હતું તે પછી ૩૮ શેર થાય, ૩૬ શેર થાય, પછી ક્રમશઃ તે પૂરું થાય.

પરાધીન વસ્તુમાં હાથ ઘાલીને શું કામ

સંયોગો પર ને પરાધીન છે એટલે એ તમારાથી ફરશે નહીં, એકુંય સંજોગ. એ તમારાથી જુદા છે, એ તમારી નાતના નથી કે તમારી જાતના નથી. એટલે પર અને પરાધીન છે, એટલે તમારાથી ફરી શકે એવા નથી. એ ઊલટા તમને ફેરવશે. માટે એના તરફ દુર્લક્ષ સેવો એમ કહેવા માગે છે. એ આવે ને જતા રહે એની મેળે, વખત થાય એટલે જતા રહે.

(પા.૮)

એ સંયોગ ટાઈમ-મુદત બધું લઈને આવ્યો હોય, તો આપણે કહીએ કે ‘ધીરજ પકડજો ને !’ ના પકડાય ધીરજ આપણે જાણ્યા પછી ? અને પેલું કંઈ હેલ્પ નથી કરતું. આપણે એની માળા ભજ ભજ કરીએ ‘ક્યારે જાય ? ક્યારે જાય ? ક્યારે જાય ?’ એ કંઈ હેલ્પ કરે છે માણસને ? દરેક મનુષ્યનો સ્વભાવ એવો હોય કે ના ગમતી વસ્તુ કે કોઈ માણસ આવે, તો ‘ક્યારે જાય’ એવું મનમાં હોય જ. ના હોય એને ? ‘આ અહીંથી ક્યારે ટળે ?’ એમ તો એ ટળે જ નહીંને ? એના કરતા આપણું દાદાનું વિજ્ઞાન શું ખોટું કે ‘ભઈ, પર ને પરાધીન છે. છો ને સૂઈ રહ્યા એની રૂમમાં.’ આપણે આપણું કામ કર્યા કરવું. વખત થશે એટલે જતો રહેશે. તેથી અમે લખ્યું ‘પર ને પરાધીન’ એટલે એમાં છે તે હાથ ક્યાં ઘાલો છો ? જે પરાધીન વસ્તુ, સ્વાધીન હોય તો ફેરવીએય ખરા. પણ આ પરાધીન વસ્તુમાં હાથ ઘાલીને શું કામ છે ? એની મેળે એ ઊઠીને જતો રહેશે.

અજાગૃતિ અટકાવે સ્વભાવ સુખ

પ્રશ્નકર્તા : દાદા, એ પર ને પરાધીન છે એ વિશે મહાત્માઓની જો જાગૃતિ ન રહી, તો એને આપણે ચાર્જિંગ કહીશું ?

દાદાશ્રી : ના, ચાર્જિંગ નહીં. આપણી આજ્ઞા જે પાળતો હોય એ તેને ચાર્જિંગ કહેવાય જ નહીં. પણ એ જાગૃતિ ના રહી એટલે તમને એટલી પીડા થાય. એટલે પેલું જે સુખ આવતું તે અંતરાયું.

પ્રશ્નકર્તા : એટલું ડિસ્ચાર્જિંગ અટક્યું ?

દાદાશ્રી : ના, એ ડિસ્ચાર્જ તો થઈ ગયું, પણ આવતું સુખ અટક્યું તમને. એક માણસ એમ નક્કી કરે કે ભઈ, એ તો સંયોગ વિયોગી જ છે સ્વભાવના, એટલે એમાં આપણે ડખલ કરવાની જરૂર નથી. એટલે પોતાના સ્વભાવનું સુખ આવ્યા કરે. પણ જો એના નામની માળા ગણવા માંડી કે ‘આ ક્યારે જાય, ક્યારે જાય,’ તો એ પેલું સુખ આવતું બંધ થઈ જાય.’ એટલે એટલું સુખ તમને બંધ થયું અને તમારો વખત બગડે ઊલટો. એટલે ડખો કરવાની જરૂર જ ક્યાં છેતે ?

પ્રશ્નકર્તા : દાદા, આમાં બે વાત છે. એક તો તમે એમ કહો છો કે ગલનમાં જો જાગૃતિ રાખીએ તો એક-બે ભવમાં પતી જાય અને જો જાગૃતિ ન રાખીએ તો વધુ ભવ થાય.

દાદાશ્રી : તો બે-ચાર ભવ થાય. એ તો આ જાગૃતિનો નિયમ એવો છે કે આ ભવમાં વખતે બીજા આગળના ભવોના કારણને લીધે જરા જોર રહેતું હોય તો વખતે ના રહે બહુ જાગૃતિ. પણ આ ભવમાં જેને જાગૃતિ થઈ ગયેલી છે ને જેને આ જ્ઞાન મળ્યું છે ને, તે આવતા ભવમાં તો ભભૂકશે, લાઈટ થઈ જશે, એક જ અવતારમાં. પણ એ પાંચ આજ્ઞા પાળતો હોવો જોઈએ.

પ્રશ્નકર્તા : એ પાંચ આજ્ઞા પાળવાની જાગૃતિ મંદ થઈ, તો પછી તે આપણું ગલન અટક્યું ને ?

દાદાશ્રી : ગલન તો અટકે જ નહીં. ગલન તો, આ આયુષ્ય કર્મ પૂરું થાય ત્યારે બધું ગલન થઈ રહે એની મેળે અને ગલન જો અટકે ને, તો ઊલટું આયુષ્ય વધે જ, પણ ગલન અટકે જ નહીં.

પ્રશ્નકર્તા : એ ગલનની ગતિ ઓછી થાય ?

દાદાશ્રી : ગલનની ગતિ ઓછી થાય, આઘીપાછી થાય, પણ ગલન અટકે નહીં. એ તો ગલન થઈ જ જાય પણ જાગૃતિ નહીં રહેવાથી આપણને સુખ ના આવવા દે એ. એ મોટામાં મોટી ખોટ. આપણને જે સુખ આવતું હોય ને, તે ના આવવા દે. આ અમે મુક્ત મનનું સુખ ભોગવ્યા કરીએ એવું તમારેય આવે. છૂટ છે, પણ તે તમને ના આવવા દે આવું. કારણ અનાદિનો અભ્યાસ અવળો છે ને, તે અભ્યાસ આગળ ફરી વળે.

(પા.૯)

જ્ઞાને કરીને નિવેડો તો લાવવો જ પડશે

પ્રશ્નકર્તા : દાદા, એ સૂક્ષ્મમાં હજુ મનમાં કડવાશ-મીઠાશ રહ્યા કરે છે, તો આ જ્ઞાન પછી જે કડવું અને મીઠું જે રહે છે એ ખરેખર શું રહે છે ?

દાદાશ્રી : એ તો (બધું) નીકળી જશે આપણે. કારણ કે એ નિકાલી છે. છે તો નિકાલી, પણ તે ત્યાં ચોંટ્યું રહે એટલે એ રહ્યું જોડે ને જોડે જ ને !

પ્રશ્નકર્તા : એટલે એમાં એને પૂરો નિકાલ ન થયો.

દાદાશ્રી : નિકાલ થયો નહીં. જ્યારે ત્યારે નિકાલ કર્યે જ છૂટકો ને !

પ્રશ્નકર્તા : અને સંજોગો જે ભેગા થાય, એ આ કડવું-મીઠું ફળ આપવા માટે અથવા એ કડવું-મીઠું નિર્જરા થવા માટે સંજોગો ભેગા થતા હોય છે ?

દાદાશ્રી : હં, નિર્જરા થવા માટે તો આવ્યા જ છે, નિર્જરા તો થવાની જ છે.

પ્રશ્નકર્તા : એટલે કડવા-મીઠાની નિર્જરા તો થવાની જ છે.

દાદાશ્રી : એ નિર્જરા તો થાય જ. દરેક કર્મ નિર્જરા થઈ જ જાય, પણ કોઈ બીજ નાખીને જાય. અને પૂરી નિર્જરા ક્યારે કહેવાય કે બીજ ના નાખે ત્યારે.

પ્રશ્નકર્તા : તો એમાં નવું નખાઈ જાય છે કે નવું નથી નાખવું એ માટેનો પુરુષાર્થ વચ્ચે કેવો હોય છે?

દાદાશ્રી : એ તો જાગૃતિ જોઈએ, બધું નિકાલ કરતા આવડવું જોઈએ. જાગૃતિ જોઈએ અને પોતાની રુચિ ના હોવી જોઈએ. રુચિ હોય તો નિકાલ ના કરે. જવા દે ગમતું હોય એને.

પ્રશ્નકર્તા : એટલે આમાં એવું બને ને કે સંજોગો ભેગા થાય તે ઘડીએ એને પોતાને પેલી કડવાશ અથવા મીઠાશ ઊભી થાય, તો તે ઘડીએ એને નિકાલ લાવવો જોઈએ ને જ્ઞાને કરીને ? તો એ નિકાલની પદ્ધતિમાં શું હોય છે અંદર ? એક તરફ નક્કી કર્યું હોય, આપણે આ મોક્ષે જ જવું છે, આ સંસાર પ્રસંગથી છૂટવું જ છે.

દાદાશ્રી : પણ એ રુચિ ના હોય તો. રુચિ ના હોય તો પેલાની નિર્જરા થઈ અને જ્ઞાન હાજર હોય તો બીજ ના પડે.

પ્રશ્નકર્તા : આ જ્ઞાન પ્રાપ્ત થયેલું હોય, તો પણ એને આવી રુચિ રહી જાય તો બીજ પડવાના ?

દાદાશ્રી : તો બીજ પડતું નથી પણ એને એ જ ફાઈલ એમ ને એમ બાકી રહે છે, નિવેડો આવ્યા સિવાય. એટલે જ્યારે ત્યારે નિવેડો તો કરવો જ પડશે ને !

રુચિ-અરુચિમાં સમતા રહે તો સાચું

પ્રશ્નકર્તા : હવે એ રુચિવાળી ફાઈલ છે, એ પાછી એને અરુચિ કરાવીને છૂટશે એવો નિયમ ખરો ?

દાદાશ્રી : અરુચિ નહીં.

પ્રશ્નકર્તા : તો શું થાય ?

દાદાશ્રી : રુચિ એટલે જ્ઞાનથી છૂટી જાય. અરુચિ કરે એટલે તો પાછો દ્વેષ થાય.

પ્રશ્નકર્તા : અરુચિ કરાવવાની એટલે રુચિવાળા નિમિત્ત ઉપર અરુચિ કરવી એવું નહીં, પણ રુચિવાળું નિમિત્ત એને જ્યારે ત્યારે અરુચિ કરાવશે ખરું?

દાદાશ્રી : એ તો કરાવ્યા વગર રહે જ નહીં ને ?

(પા.૧૦)

પ્રશ્નકર્તા : તો તે ઘડીએ પછી એનો નિકાલ આવશે એવો ?

દાદાશ્રી : એ ઘડીએ સમતા રાખે ત્યારે ને ! દરેક રુચિવાળો અરુચિ કરાવ્યા વગર રહે જ નહીં અને તે વખતે સમતા રહે તો સાચું.

પ્રશ્નકર્તા : પણ એવો નિયમ ખરો કે અરુચિ થતી હોય જે નિમિત્ત ઉપર, એથી એની ઉપર રુચિ થાય છે એવું ખરું ?

દાદાશ્રી : ના.

પ્રશ્નકર્તા : એટલે રુચિના જ પરિણામે અરુચિ હોય છે ?

દાદાશ્રી : એ રુચિના પરિણામમાં જ્યારે બહારથી ઝાટકા વાગેને ત્યારે અરુચિ થાય, કે બળ્યું, આ ક્યાં ફસાયા ?

પ્રશ્નકર્તા : એ શું કહ્યું ?

દાદાશ્રી : રુચિ જ્યાં કરીએ, ત્યાં ગોદા વાગે એટલે પછી અરુચિ થાય એની મેળે.

પ્રશ્નકર્તા : ગોદા વાગે એટલે ? એ રુચિવાળો નિમિત્ત જ એને ગોદા મારે ?

દાદાશ્રી : નિમિત્ત ગોદા આપ્યા વગર રહે જ નહીં. જ્યાં રુચિ હોય ત્યાં ગોદા મળે જ.

પ્રશ્નકર્તા : એટલે એનું એ જ નિમિત્ત એને ગોદા મારે.

દાદાશ્રી : એનું એ જ નિમિત્ત, ગોદા જ મારે છે. હંમેશાં રુચિ થઈ તે નિમિત્ત ગોદા મારવા માટે જ આવે. થોડા દહાડા ના મારે, પણ પછી છેવટે ગોદા જ મારે અને ગોદા મારે એટલે અરુચિ થાય. પછી આ છૂટવા ફરે પણ એના કેટલા તાંતણા બંધાઈ ગયા હશે, એની શું ખબર પડે ? કેટલા રોલ (આંટા) માર્યા છે શું ખબર પડે ? પછી છૂટવા જાય, સમતા રાખે, પણ કંઈ વળે નહીં એકદમ.

સમતા ભાવ ઉત્પન્ન થાય જ્ઞાનથી

પ્રશ્નકર્તા : દાદા, એ સમતા કેવી રીતે આવે ?

દાદાશ્રી : વિષમતા કેવી રીતે આવે ? વિષમતા વેચાતી લાવ્યા ?

પ્રશ્નકર્તા : ના, એ ચાલુ જ છે.

દાદાશ્રી : ના, પણ એ કેવી રીતે લાવ્યા ? એની મહેનત કરવી પડે તમારે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : ત્યારે સમતા માટેય મહેનત નહીં કરવી પડે. ‘અહીં’ તમને સમતા ઉત્પન્ન થશે.

એ સમતા શી રીતે આવે ? કોઈની ચા ના પીવે અને કોઈની ઉપર ગુસ્સે ના થાય, એવી રીતે દરેક કામનો ઉકેલ લાવે એને સમતા આવે. સમતા બીજી શી રીતની ? કંઈ આ તો ધર્મની કોર્ટો છે કે ઈક્વિલિબ્રિયમ (સંતુલન) થવાનું છે ?

આ તો ચંદુભાઈ આની પર ગુસ્સે થયા અને ચંદુભાઈ ગુસ્સો કરે છે એને ‘એ પોતે’ જુએ તો એનું નામ સમતા.

પ્રશ્નકર્તા : સમતા એ મનની સ્થિતિ છે ?

દાદાશ્રી : મનની સ્થિતિ ખરી, પણ મનની આવી સ્થિતિ ક્યારે રહે ? મહીં જાગૃતિ હોય, જ્ઞાન હોય, તો જ તે રહે. નહીં તો મન હંમેશાં આ બાજુ કે પેલી બાજુ નમેલું જ હોય. સમતા ક્યારે રહે ? આત્મા પ્રાપ્ત થાય ત્યારે. જ્યાં સુધી ‘હું ચંદુલાલ છું’ ત્યાં સુધી વિષમતા થયા વગર રહે જ નહીં અને ‘હું શુદ્ધાત્મા છું’ એનું ભાન થયું એટલે કામ થઈ ગયું.

(પા.૧૧)

સમતા દ્વંદ્વથી પર

વ્યવહારમાં લોક સહનશીલતાને ‘સમતા’ કહે છે ! પણ સમતા બહુ મોટી વસ્તુ છે. લોકો ઘેર વહુ બોલી હોય ને સાંભળી લે તેને ‘સમતા’ કહે છે. પણ એ સમતા ના કહેવાય. મહીં અજંપો થયા કરે છે એને સમતા કેમ કહેવાય ?

સમતા તો કોનું નામ કે ફૂલ ચઢાવે તો તેની પર રાગ નથી કે ગાળો દે તેની પર દ્વેષ નથી, ઉપરથી એને આશીર્વાદ આપે એનું નામ સમતા. શુભ હોય કે અશુભ હોય, બન્નેને સમાન ગણે. શુભાશુભમાં રાગ-દ્વેષ નહીં, તેનું નામ સમતા.જેને દ્વંદ્વ નથી તે સમતા. આવું તો વીતરાગો જ સમાન ગણી શકે.

પ્રાપ્ત સંયોગોમાં સમતા રાખી કરો નિકાલ

પ્રાપ્ત સંયોગો વિના જગતમાં કોઈ વસ્તુ નથી. ‘પ્રાપ્ત સંયોગોનો સુમેળ રાખીને સમતાભાવે નિકાલ કરો.’ આ ગજબનું વાક્ય નીકળી ગયું છે. આ એક જ વાક્યમાં જગતના તમામે તમામ શાસ્ત્રોના જ્ઞાન સારરૂપે આવી ગયા. પ્રાપ્ત સંયોગોના આપણે જ્ઞાતા-દ્રષ્ટા, અપ્રાપ્તના નહીં.

હવે પ્રાપ્ત સંયોગો એટલે શું ? જેની જોડે ફાવતું નથી એ માણસ આવીને ઊભો રહ્યો. હવે ત્યાં આ વાક્ય એને ખ્યાલમાં રહે તો નિવેડો આવે.

અગિયાર વાગે કોર્ટમાં જવાનું હોય અને અગિયાર વાગે જમવાની થાળી આવી તો તે વખતે તે સંયોગ પ્રાપ્ત થયો કહેવાય. એનો પહેલાં સુમેળ રાખીને સમભાવે નિકાલ કરવો પડે. તે શાંતિથી જમી લેવાનું. ઓછું બે હાથેથી જમાય છે ? શાંતિથી જમવાનું, એટલે તે વખતે ચિત્ત કોર્ટમાં ના જવું જોઈએ. તે ધોકડું (શરીર) અહીં ખાય ને તમે કોર્ટમાં હો. પહેલાં શાંતિથી જમો ને પછી કોર્ટમાં નિરાંતે જાવ. લોક શું કરે છે, કે પ્રાપ્ત સંયોગને ભોગવી જ નથી શકતા ને અપ્રાપ્તની પાછળ રઘવાયા થઈને પડે છે. તે બેઉને ખોઈ નાખે છે. મૂઆ, જમવાનું પ્રાપ્ત થયું છે તેનો સુમેળ કર, તેને ભોગવ, તો જ તેનો નિકાલ થશે. કોર્ટ તો હજી દૂર છે, અપ્રાપ્ત છે. તે એની પાછળ ક્યાં પડ્યો ? સંયોગ પ્રમાણે કામ કાઢી લેવાનું.

સંયોગો એ પ્રારબ્ધ, સમતા એ પુરુષાર્થ

પ્રશ્નકર્તા : દાદા, આ જે પ્રાપ્ત સંયોગો એ પ્રારબ્ધ કહેવાય ?

દાદાશ્રી : હા, પ્રારબ્ધ બધું છે.

પ્રશ્નકર્તા : અને સમતાભાવે જે નિકાલ કરવો એ પુરુષાર્થ ?

દાદાશ્રી : પુરુષાર્થ કહેવાય, એ મોટામાં મોટો પુરુષાર્થ. (જ્ઞાન ના લીધું હોય તેને) ભલે ભ્રાંતિ રહી પણ એ (ભ્રાંતિમય) પુરુષાર્થ મોટો છે. એ મોક્ષ તરફ લઈ જાય. હા, મોક્ષના સંયોગો ભેગા કરી આપે.

સંયોગ બાઝયો એ પ્રારબ્ધ અને સંયોગ અવળો આવે તે ઘડીએ સમતા રાખવી એનું નામ પુરુષાર્થ. સંયોગ જે જે બાઝે છે એ બધું પ્રારબ્ધ છે. તમે ‘ફર્સ્ટ કલાસ’ પાસ થયા તેય પ્રારબ્ધ અને કોઈ ‘ફર્સ્ટ કલાસ’ નાપાસ થાય તેય પ્રારબ્ધ. આ શબ્દો પરથી નોંધ કરજો કે જેટલા સંયોગ બાઝે છે તે બધું જ પ્રારબ્ધ છે. સવારમાં ઊઠાયું તે સંયોગ કહેવાય. સાડા સાતે ઊઠાયું તો સાડા સાતનો સંયોગ કહેવાય. એ પ્રારબ્ધ કહેવાય.

પ્રશ્નકર્તા : એ માણસ મારા માટે ખરાબ બોલે, મારી સામે જ બોલે અને હું એના માટે સમભાવ રાખી પુરુષાર્થ કરું, તો એ ખરેખર પ્રારબ્ધ કહેવાય કે નહીં ?

દાદાશ્રી : આપણને સંયોગ બાઝે છે તે ખોટો હોય, આપણને ગાળો ભાંડે ત્યાં આપણા

(પા.૧૨)

લોકો પુરુષાર્થ નથી કરતા અને સામી ગાળો ભાંડે, મોઢું ચઢાવે એવું કરે છે. કોઈ તમને ગાળ ભાંડે તે વખતે તમને મનમાં એમ થાય કે આ મારા જ કર્મનું ફળ છે, સામો તો નિમિત્ત છે, નિર્દોષ છે. એ ભગવાનની આજ્ઞારૂપી પુરુષાર્થ છે. તે ઘડીએ તમે સમતા રાખો તે પુરુષાર્થ છે.

પ્રારબ્ધ ને પુરુષાર્થમાં તો લોકો એટલું જ જાણે છે કે ‘મારે અગિયાર વાગે જવાનું છે, કેમ મોડું થયું ? કઢી કેમ ઢોળી નાખી ? આમ કર્યું ને તેમ કર્યું.’ અરે, કઢી ઢોળાઈ ગઈ તો તે સંયોગ કહેવાય. આટલાથી બે જુદા ભાગ પડે કે સંયોગ અને વિયોગ બે જ સંસારમાં છે. જેટલા સંયોગ છે તેટલા વિયોગ થવાના જ છે અને સંયોગ જે થયો તેમાં સમતા રાખવી તે પુરુષાર્થ. કોઈ ફૂલાં ચઢાવે તો આમ છાતી ફૂલાવે તે પુરુષાર્થ ના કહેવાય. સ્વાભાવિક જે જે થાય તે પ્રારબ્ધ છે. ફૂલાં ચઢાવ્યાં તે આપણે આમ પદ્ધતિસર રહીએ; એવો પુરુષાર્થ પહેલાં કોઈ દહાડો થયેલો ?

અને આ ‘વ્યવસ્થિત’નું જ્ઞાન તો બધા લોક માટે નથી. કારણ કે એની જોડે અહંકાર છે ને ! હવે અહંકાર ‘વ્યવસ્થિત’ના તાબામાં છે અને એ પોતે કહે છે કે ‘હું કરું છું.’ એટલે એ બંનેનો ત્યાં આગળ ડખો થાય છે. વ્યવસ્થિતમાં પણ ડખો કરીને ઊલટું સુખ બગાડે છે. એ અહંકારથી જો એટલો ડખો ના કરતો હોય ને સમતાથી જો પુરુષાર્થ કરતો હોય તો બહુ ફાયદાકારક થઈ પડે.તોય ‘એનાથી’ ‘વ્યવસ્થિત’ તો મનાય જ નહીં. ‘વ્યવસ્થિત’ તો ચોખ્ખું થયા પછી, ‘આત્મા’ પ્રાપ્ત થયા પછી જ સમજાય !

વિષમતાના સાગરમાં સમતા એ જ જ્ઞાન

બીજા કશા માટે મહેનત-મજૂરી કરવા જેવી છે જ નહીં. અત્યાર સુધી જે કંઈ કર્યું છે તે પોક મૂકવા જેવું કર્યું છે ! આ છોકરાંને ચોરી કરતાં કોણ શીખવાડે છે ? બધું બીજમાં જ રહેલું છે. આ લીમડો પાને પાને કડવો શાથી છે ? એના બીજમાં જ કડવાશ રહેલી છે. આ મનુષ્યો એકલાં જ દુઃખી-દુઃખી છે, પણ એમાં એમનો દોષ નથી. કારણ કે ચોથા આરા સુધી સુખ હતું અને આ તો પાંચમો આરો, આ આરાનું નામ જ દુષમકાળ ! કાળનું નામ જ દુષમ ! પછી સુષમ ખોળવું એ ભૂલ જ છે ને ?

એટલે મુશ્કેલી તો આવ્યા જ કરવાની. મુશ્કેલી વગર તો આ ટાઈમ જાય એવો નથી, આનું નામ જ દુષમકાળ ! મહાદુઃખે કરીને સમતા રહે એવો આ કાળ છે. એટલે નવ્વાણું ટકા વિષમતા જ રહે, એમાં થોડી ઘણી સમતા રાખવી એ કંઈ જેવી તેવી વાત છે? વિષમ પરિસ્થિતિમાં સમતા રહે તેનું નામ ‘જ્ઞાન.’ અત્યારે આ તો વિષમતાનો સાગર છે.

પ્રશ્નકર્તા : એમાં થોડીક સમતા રહી જાય એ આશ્ચર્ય છે !

દાદાશ્રી : હા, એ આશ્ચર્ય કહેવાય અને એવી સમતા રહે તો એનો આનંદ આપણને ચોખ્ખો માલૂમ પડે.

બાકી, આ દુનિયામાં કોઈ વસ્તુ તમને કૈડી શકે એમ છે જ નહીં. અને જે કૈડી શકે છે એ જ તમારો હિસાબ છે. માટે હિસાબ ચૂકતે કરી દેજો. અને કૈડી ગયા પછી તમે મનમાં જે ભાવ કરો કે ‘આ કૂતરાંને તો મારી જ નાખવા જોઈએ, આમ કરવા જોઈએ, તેમ કરવા જોઈએ.’ તો એ પાછો નવો હિસાબ ચાલુ કર્યો. ગમે તેવી પરિસ્થિતિમાં સમતા રાખીને ઉકેલ લાવે, મહીં સહેજેય વિષમ ના થાય.

ગમે તે સ્થિતિમાં સમતા તે આંતર તપ

મહિના ઉપર જ તમે લાખ રૂપિયા જમે મૂક્યા હોય ને એ પાર્ટી ડૂબી તે સાંભળતાની સાથે

(પા.૧૩)

મહીં અદીઠ તપ શરૂ થઈ જાય તમારું. આપણે તે વખતે તપ કરી લેવું. આપણે તપ કરીએ ને સમતા રાખીએ બિલકુલ અને ખરાબ વિચાર એમને માટે આવે તેનું પ્રતિક્રમણ કરીએ, એટલે તમે ક્લિયર (શુદ્ધ) રાખ્યું. એ ક્લિયરનેસ (શુદ્ધતા)ની અસર એમની ઉપર થાય.

પ્રશ્નકર્તા : તપ એટલે શું, અંદર ઘર્ષણ થાય?

દાદાશ્રી : નહીં, મહીં અજંપો થાય ને અકળામણ થાય. મોઢે બહાર ના બોલીએ પણ અંદર ને અંદર અકળામણ થઈ જાય. તે તપ સહન કરવું પડે. બહાર તો ફાઈલોનો નિકાલ કરીએ સમભાવે, પણ મહીં અકળામણ થઈ જાય એ સહન કર્યું ને પેલાને, સામાને દઝાડ્યા સિવાય શાંતિથી સહન કર્યું, એનું નામ તપ કહેવાય. એને ‘અદીઠ તપ’ કહ્યું.

આપણા મહાત્માઓ લગભગ પાંચ જ ટકા તપ કરે છે. તપ તો કરવું જોઈએ ને ? અત્યારે તમારે સમભાવે નિકાલ કરવો પડે છે, તે ઘડીએ તપ નથી કરતા ?

પ્રશ્નકર્તા : કરવું જ પડે ને, દાદા.

દાદાશ્રી : તે નાના નાના, પણ પછી મોટા તપ થવા જોઈએ. આપણો છોકરો મરી જાય, કોઈકે રસ્તામાં દાગીના લૂંટી લીધા એક લાખ રૂપિયાના તોય અસર થાય નહીં, પેટમાં પાણી ના હાલે, તે દાદાનું વિજ્ઞાન. જો બુદ્ધિના કહ્યા પ્રમાણે કર્યું, તો હતા તેના તે જ થયા ને પાછાં ! ત્યાં તપ કરવું. રસ્તામાં લૂંટાયા હોય તો શું કરો તમે ?

પ્રશ્નકર્તા : હાય હાય તો ના કરીએ, પેલું પાછું આવે કે ના આવે, એની બહુ પડી નહીં પણ મને લૂંટી ગયો એવું તો મનમાં આમ રહ્યા કરે.

દાદાશ્રી : એ આપણને શો ફાયદો કરે ? એ આપણને હેલ્પ શું કરે એ જોવાનું ને ! એ લૂંટી જતા નથી, એમનું એ લઈ જાય છે. આપણું કોઈ લઈ જાય નહીં.

પ્રશ્નકર્તા : તપ અંદર કેવી રીતે ઊભું થાય ? લૂંટી ગયા પછી મહીં શું કરવું ?

દાદાશ્રી : એ પેલું મહીં તપી જાય એટલે તપ સહન ના થાય એટલે એ પોતે બૂમાબૂમ કરે, એ હઉ તપી જાય, ત્યાં જ્ઞાનથી તપ કરવાનું.

પ્રશ્નકર્તા : જ્ઞાનથી એડજસ્ટ થાય, પાંચ આજ્ઞાથી, પણ પેલું લૂંટી લીધા એવી બૂમો પાડ્યા જ કરે અંદરથી.

દાદાશ્રી : તે ઘડીએ હૃદય તપે, સહન થાય નહીં. વિચાર ઉપર વિચાર, વમળો ફૂટે બધા. તે ઘડીએ જોયા જ કરવાનું અંદર તપેલું. તે ઘડીએ મન બગડવું ના જોઈએ સામાને માટે. સહેજેય મન બગડે તો તપ જ કેમ કહેવાય ? ગમે તે સ્થિતિમાં સમતા જ રહે તો એ જ અદીઠ તપ ! બીજું શું ? બધું પોતાનું જ છે, પારકાંનું છે નહીં. પારકાંનું હોય તો તમારે ભોગવવું પડે એવું બને નહીં. એટલે એમાં પ્યૉર રહેવાનું. પ્યૉર થવાનું છે, ઈમ્પ્યૉરિટી ના રહેવી જોઈએ. કચરો બધો નીકળી જાય ને ! દાદાની પાસે તો બધું નીકળી જાય છે. દાદા બધાને ભગવાન બનાવે છે, એ તમે ફેરફાર નહીં જોયેલો ?

પ્રશ્નકર્તા : કોઈ અપમાન કરે ને સહન કરીએ તો એય તપ ગણાય પછી?

દાદાશ્રી : એય પ્રાપ્ત તપ કહેવાય. તમારું તપ શાથી વહેલું આવ્યું કે જલ્દી ઉકેલ આવવાનો છે, ચોખ્ખા થઈ જવાના છે, સ્પીડિલી ! ઉખાડતી વખતે મહીં તપ થાય છે ને ચિત્તમાં દુઃખ થાય છે ? એ તપ કહેવાય. એ તપને જોયા કરવું. એને દુઃખ નહીં માનવું. દુઃખ માનો તો તપ ઊડી જશે તે ઘડીએ. દુઃખમાં સમતા ધરવી, એનું નામ તપ.

(પા.૧૪)

ના ગમતાને ગમતું કરે તો રસ્તો આવશે !

હસતે મુખે ઝેર પચાવી જાણો

અમે નીલકંઠ છીએ. નાનપણથી જે જે કોઈ ઝેર આપી ગયું, તે અમે હસતે મુખે, ઉપરથી તેને આશીર્વાદ આપીને પી ગયા ને તેથી જ નીલકંઠથયા.

ઝેર તો તમારે પીવાં જ પડશે. હિસાબી છે, માટે પ્યાલો તો સામે આવશે જ. પછી તમે હસતા હસતા પીઓ કે મોઢું બગાડીને પીવો. પીવું તો પડશે જ. અરે, તમારે લાખ ના પીવું હોય તોય લોકો બળજબરીથી તમને પાઈ જશે, એનાં કરતા હસતા હસતા પીને, ઉપરથી એને આશીર્વાદ આપીને શા માટે ના પીવું ? તે સિવાય નીલકંઠ થવાય જ શી રીતે? આ પ્યાલા આપી જાય છે, તે તો તમને ઊંચું પદ આપવા આવે છે. ત્યાં જો મોઢું બગાડશો તો એ આઘું જતું રહેશે.

‘હું ચંદુલાલ છું’ ત્યાં સુધી બધું કડવું લાગે પણ આપણને તો આ બધું અમૃત થઈ પડ્યું છે. માન-અપમાન, કડવું-મીઠું એ બધા દ્વંદ્વ છે. તે હવે આપણને ના રહે. આપણે દ્વંદ્વાતીત છીએ. એટલા માટે તો આ સત્સંગ કરીએ છીએ ને ! છેવટે બધાયને દ્વંદ્વાતીત દશા જ પ્રાપ્ત કરવી છે ને !

આ કડવી દવા જો સદી જાય તો બીજો ડખો જ ના રહે ને ! અને પાછાં તમે હવે જાણી ગયા કે આ સંયોગ નફાવાળો છે ! જેટલો મીઠો લાગે છે એટલો જ કડવો ભરેલો છે. માટે કડવો પહેલાં પચાવી જાવ, પછી મીઠો તો સહેજે નીકળે. એને પચાવવાનું બહુ ભારે નહીં લાગે. આ કડવી દવા પચી એટલે બહુ થઈ ગયું ! ફૂલો લેતી વખતે સહુ કોઈ હસે પણ ઢેખાળા પડે ત્યારે ?

અપમાન વખતે સમતાની ચાવી

માન દે તો પણ સહન થાય તેવું નથી. જેને અપમાન સહન કરતાં આવડે તે જ માન સહન કરી શકે. કોઈ દાદાને કહે, ‘લોકો તમને ફૂલ ચઢાવે છે તે તમે શા માટે સ્વીકારો છો ?’ ત્યારે દાદાએ કહ્યું, ‘લે બા, તને પણ ચઢાવીએ ! પણ સહન નહીં થાય.’ લોકો તો હારોના ઢગલા જોશે તો છક્ક થઈ જશે ! કોઈને પગે લાગો કે તરત જ તે ઊભો થઈ જશે !

‘જ્યારે અપમાનનો ભય નહીં રહે ત્યારે કોઈ અપમાન નહીં કરે’ એવો નિયમ જ છે. જ્યાં સુધી ભય છે ત્યાં સુધી વેપાર. ભય ગયો એટલે વેપાર બંધ. તમારા ચોપડામાં માન અને અપમાનનું ખાતું રાખો. જે કોઈ માન-અપમાન આપે તેને ચોપડામાં જમે કરી દો, ઉધારશો નહીં. ગમે તેટલો મોટો કે નાનો કડવો ડોઝ કોઈ આપે તે ચોપડામાં જમે કરી લો. નક્કી કરો કે મહિનામાં સો જેટલા અપમાન જમે કરવા છે. તે જેટલા વધારે આવશે, તેટલો વધારે નફો ને સોને બદલે સિત્તેર મળ્યા તો ત્રીસ ખોટમાં. તે બીજે મહિને એકસો ત્રીસ જમે કરવાના. જો ત્રણસો અપમાન જેને ચોપડે જમા થઈ જાય, તેને પછી અપમાનનો ભય ના રહે. એ પછી તરી પાર ઊતરી જાય. પહેલી તારીખથી ચોપડો ચાલુ જ કરી દેવાનો. આટલું થાય કે ના થાય ?

સમ્યક્ સમજણ વર્તાવે સમતા

આ તો કહેશે, ‘આણે મારું અપમાન કર્યું !’ મેલ ને છાલ. અપમાન તો ગળી જવા જેવું છે. ધણી અપમાન કરે ત્યારે યાદ આવવું જોઈએ કે આ તો મારા જ કર્મનો ઉદય છે અને ધણી તો નિમિત્ત છે, નિર્દોષ છે. અને મારા કર્મના ઉદય ફરે ત્યારે ધણી ‘આવો, આવો’ કરે છે. માટે આપણે મનમાં સમતા રાખીને ઉકેલ લાવી નાખવો. જો મનમાં થાય કે ‘મારો દોષ નથી છતાં મને આમ કેમ કહ્યું ?’ એટલે પછી રાતે ત્રણ કલાક જાગે ને પછી થાકીને સૂઈ જાય.

(પા.૧૫)

સ્ત્રી વઢે અને રાતે એ ઘરમાં રહેવું, એ તો મોટામાં મોટી ટેસ્ટ એક્ઝામિનેશન (પરીક્ષા) છે એટલે સ્ત્રી સાથે મોક્ષ હોવો જોઈએ. સ્ત્રીની ગાળો ખાય અને સમતા રહે એવો મોક્ષ થવો જોઈએ.

આડાઈરૂપી સમંદરને ઓળંગવાનો છે. આપણે આડાઈની આ પાર ઊભા છીએ અને જવાનું છે સામે પાર. કોઈ આપણી આડાઈ ઉતારવા નિમિત્ત બને તો તેમાં અસહજ ન થતા તે નિમિત્તને પરમ ઉપકારી માની સમતાથી વેદવું.

સમત્વયોગ ભગવાન પાર્શ્વનાથનો

સમતા તો પેલી દેખાય પાર્શ્વનાથ ભગવાનની. ફણિધર નાગ રક્ષણ કરે છે ને પેલો છે તે કાંકરાચાળી કરે છે, વરસાદ વરસાવે છે. પેલાં રક્ષણ કરે છે તેની પર રાગ નથી અને પેલો કાંકરાચારી કરે છે તેના પર દ્વેષ નથી, એ સમતા કહેવાય. સમતા ત્યાંથી જ કહેવાય. બાકી આ લોકો સમતા એની નીચી ભાષામાં લઈ ગયા. સમતા શબ્દ જ ના વપરાય. જ્ઞાન મળ્યા પછી સમતા અને જ્ઞાન મળ્યા પહેલાં એ શબ્દને વાપરવો હોય સમતા તો આ સમતા તો ના વપરાય. આ સમતા તો વીતરાગોની સમતા. પેલું શમ ને ઉપશમ. પણ આ સમતા એ તો વીતરાગોની છે. માલિકીની વસ્તુ જ નથી. પેલો સમતા શબ્દ એ સહનશીલતા કહેવાય લોકોની. આ સાધુ-આચાર્યોની બધી સહનશીલતા કહેવાય. એ વીતરાગોની સમતા તો બહુ મોટી વસ્તુ છે. સમતા આ દેખાય છે ને પાર્શ્વનાથની, એનું નામ સમતા. પેલો દેવ છે તે આવીને રક્ષણ કરે છે, તે એની પર કિંચિત્માત્ર રાગ નથી. જે પેલો કમઠ છે તે કાંકરા નાખે છે, તો એની પર કિંચિત્માત્ર દ્વેષ નથી એવા આ પાર્શ્વનાથ ભગવાન ! એક ક્ષણ પણ આવું ધ્યાન રહે, થઈ રહ્યું ! પછી બીજું જોઈએ જ શું તે ?

એક માણસ જોડે વેર બંધાય તો સાત ભવ બગાડે. એ તો એમ કહેશે કે ‘મારે તો મોક્ષે જવું નથી પણ તનેય હું મોક્ષે જવા નહીં દઉં !’ આ પાર્શ્વનાથ ભગવાનને કમઠ જોડે દસ ભવથી કેવું વેર હતું તે વેર ભગવાન વીતરાગ થયા ત્યારે છૂટ્યું કમઠથી કરાયેલા ઉપસર્ગ તો ભગવાન જ સહન કરી શકે ! આજના મનુષ્યનું તો ગજું જ નહીં. એ પાર્શ્વનાથ ભગવાન ઉપર કમઠે અગ્નિ વરસાવ્યો, મોટા મોટા પથ્થરો નાખ્યા, ધોધમાર વરસાદ વરસાવ્યો; છતાં ભગવાને બધું સમતાભાવે સહન કર્યું ને ઉપરથી આશીર્વાદ આપ્યા ને વેર ધોઈ નાખ્યું.

સમતાથી ખપ્યા દસ ભવના વેર

આપણું આપેલું તે જ પાછું આપે છે એ નક્કી છે. પાર્શ્વનાથ ભગવાનને એટલી તો ખબર પડે ને કે મારું આપેલું છે તે જ આપે છે એ લોકો. તેની મહીં ઉશ્કેરાટ વધતો જાય, એટલે ટાઈમ વધતો જાય, મુદત પૂરી થવામાં.

પાર્શ્વનાથ ભગવાનને ઉશ્કેરાટ વધ્યો નથી એટલે દસ અવતારમાં પૂરું થયું.

પ્રશ્નકર્તા : તોય પણ દસ અવતાર સુધી ચાલ્યું એટલે કંઈ ઓછું કહેવાય?

દાદાશ્રી : આ દસ અવતાર છે એ કેટલા અવતારના આધારે દસ અવતાર છે, એ જાણું છું તું?

પ્રશ્નકર્તા : એ કશી ખબર નહીં.

દાદાશ્રી : આ એક વાળ બરાબર. દસ અવતાર એક વાળેય નહીં.

પ્રશ્નકર્તા : ઓહો ! અનંત અવતારની સામે કશું જ ના કહેવાય. એટલે એમણે દરેક અવતારમાં પેલી સમતા રાખ્યા જ કરી’તી ?

દાદાશ્રી : ત્યારે પૂરું થયું. પહેલા બે-ત્રણ

(પા.૧૬)

અવતાર સુધી જરા કાચું પડી જાય, ચિઢાઈ જાય, એટલે થોડું વધતું જાય. એકદમ સમતા રહે એવું આ જગત નથી. આ તો ‘અક્રમ વિજ્ઞાન’ જુદી જાતનું છે, તેથી રહી શકે.

સમભાવ-સમતા-સહજતા

પ્રશ્નકર્તા : ફાઈલનો નિકાલ કરવો છે પણ એમાં તમે એક જ ભાવ કીધો, સમભાવે.

દાદાશ્રી : એ સમભાવે મનમાં નક્કી કરો ને, એટલે પેલા માણસની ઉપર અસર થાય, એના મન ઉપર.

પ્રશ્નકર્તા : પછી બીજા શબ્દનો અર્થ મને સમજાવો. બીજું, સમતા.

દાદાશ્રી : વીતરાગતા રહે તો બહાર સમતા રહે. ના ગમતા જોડે અભાવ નથી થતો અને ગમતા જોડે ભાવ નથી થતો તેનું નામ વીતરાગ.હજુ વીતરાગતા લાવવા માટે આ સમભાવે નિકાલ કરવાનો કહ્યો છે. સમભાવે નિકાલ કરીએ એટલે એ જે પરિણામ પામે ત્યારે વીતરાગતાના અંશ બાઝે થોડા થોડા. જેમ જેમ સમભાવે નિકાલ કરતો જાય ને તેમ તેમ વીતરાગતાના અંશ બાઝતા જાય.

પ્રશ્નકર્તા : પણ સમતા અને સમભાવ એ બેમાં શું ફેર ?

દાદાશ્રી : ફેર, સમભાવે તો નિકાલ કરવાનો છે.

પ્રશ્નકર્તા : પણ એ સમતા રાખીનેય નિકાલ થાય ને ! આ ભાઈ મને ગોદા મારે, પણ હું એમ કહું કે નમસ્કાર, તો આખી સમતા થઈ ગઈ ને

દાદાશ્રી : ના, એ સમતા ના કહેવાય. એ સમભાવે નિકાલ કર્યો કહેવાય. સમતા તો કેવું હોય કે પેલો ધોલો મારતો હોય અને પોતે એને આશીર્વાદ આપતો હોય, ત્યારે સમતા હોય. મહીં સહેજેય પરિણામ ફરે નહીં એ સમતા અને આ તો નિકાલ એટલે તો કશું પરિણામ ફરી જાય પણ નિકાલ કરી નાખે. ફરી આગળ વધારે નહીં. એ વધવાનું નહીં, એ ઘટી જાય.

સમભાવ એટલે શું ? આ ત્રાજવું આ બાજુ નમ્યું એટલે બીજી બાજુ થોડું કશુંક નાખીને સરખું કરે. તે આ દેડકાંની પાંચ શેરી કેટલો વખત ટકે? છતાંય સમભાવને ઉત્તમ ભાવ ગણ્યો છે. બેલેન્સ રાખવા પ્રયત્ન કરે છે ને? અને સમતા એટલે તો ફૂલ ચઢાવે તેની પર રાગ નહીં ને પથ્થર મારે તો તેના પર દ્વેષ નહીં, ઉપરથી એને આશીર્વાદ આપે !

પ્રશ્નકર્તા : તો હવે ત્રીજો શબ્દ, સહજ ભાવે નિકાલ એ સમજાવો.

દાદાશ્રી : સહજ ભાવે નિકાલ એ અમારો હોય, કેટલીક બાબતમાં. સહજ ભાવ એટલે વગર પ્રયત્ને જ થઈ જાય.

સહજ ભાવ એટલે શું ? પ્રગમેલું જોઈએ. પ્રગમેલું એટલે ગયા અવતારમાં ભાવ કરેલો અત્યારે સહજ ઉત્પન્ન થાય. એ નિકાલ એટલે અત્યારે તમારેય બની શકે. તમારામાં જો કંઈક જૂના ભાવ કરેલા હોય, તે આજે હેલ્પ કરે. પણ એ જૂના ભાવો છે, એ બધા સહજ ભાવ. સહજ ભાવ એટલે આજની ક્રિયા નથી એમાં.

પ્રશ્નકર્તા : બરોબર, તમારે એ બહુ ઈઝીલી (સરળતાથી) થાય છે.

દાદાશ્રી : સહેજાસહેજ.

પ્રશ્નકર્તા : હા, હવે ચોથું રહ્યું. ચાતુર્ય, ચતુરાઈ, કૌશલ્ય !

દાદાશ્રી : હા, એ કૌશલ્ય બે પ્રકારનું : એક સંસારી કૌશલ્ય અને એક અધ્યાત્મ કૌશલ્ય ! જ્ઞાનીનું કૌશલ્ય. જ્ઞાનીનું કૌશલ્ય કેવું હોય કે એક

(પા.૧૭)

માણસ બોલ્યો તેથી સાત જણને દુઃખ થાય એવું છે, ત્યારે જ્ઞાની એવું કૌશલ્ય વાપરે ને એવો શબ્દ બોલે કે એ બોલનારનેય દુઃખ ના થાય અને પેલા સાતનું દુઃખ ઊડી જાય. એને કૌશલ્યતા કહેવાય. તે એને આપણામાં બુદ્ધિકળા કહે છે. જ્ઞાનકળા અને બુદ્ધિકળા. કૌશલ્ય એ બુદ્ધિકળામાં જાય. એ બુદ્ધિની એક પ્રકારની કળા છે. થોડા શબ્દોમાં બધાં લોકોને સંતોષ થઈ જાય.

પ્રશ્નકર્તા : હવે જે ફાઈલોનો નિકાલ એ આ ચારમાંથી તમે એક જે કીધો સમભાવે. આ બીજા જે શબ્દો છે, તેને અડવા જેવું નથી.

દાદાશ્રી : એ સમભાવ રાખવો. સમભાવે નિકાલ કરશો તો એ બધાં પગથિયાં તમને આવશે. સમભાવે નિકાલ સમજી ગયા ને તમે ? એ જ, આપણે બીજું કશુંય નહીં આમાં. એકલું વીતરાગોએ જે કર્યું’તું, તે અમે કરીએ છીએ ને એ તમને દેખાડીએ છીએ.

ના ગમતામાં રાખો ચોખ્ખું મન

ના ગમતું ચોખ્ખા મને સહેવાઈ જશે ત્યારે વીતરાગ થવાશે.

પ્રશ્નકર્તા : ચોખ્ખું મન એટલે શું ?

દાદાશ્રી : ચોખ્ખું મન એટલે સામા માટે ખરાબ વિચાર ના આવે તે, એટલે શું ? કે નિમિત્તને બચકા ના ભરે. કદાચ સામા માટે ખરાબ વિચાર આવે તો તરત જ પ્રતિક્રમણ કરે, તેને ધોઈ નાખે.

પ્રશ્નકર્તા : ચોખ્ખું મન થઈ જાય એ તો છેલ્લા સ્ટેજની વાત ને ? અને જ્યાં સુધી સંપૂર્ણ ચોખ્ખું નથી થયું ત્યાં સુધી પ્રતિક્રમણ કરવા પડે ને ?

દાદાશ્રી : હા, એ ખરું; પણ અમુક બાબતમાં ચોખ્ખું થઈ ગયું હોય અને અમુક બાબતમાં ના થયું હોય, એ બધાં સ્ટેપિંગ છે. જ્યાં ચોખ્ખું ના થયું હોય ત્યાં પ્રતિક્રમણ કરવું પડે.

અમને તો પહેલેથી જ જગતના શબ્દેશબ્દનો વિચાર આવે. પહેલાં ભલે જ્ઞાન નહોતું, પણ વિપુલ મતિ એટલે બોલતાંની સાથે જ ફોડ પડે, ચોગરદમના તોલ થાય. વાત નીકળે તો તરત જ તારણ નીકળી જાય, એને ‘વિપુલ મતિ’ કહેવાય. વિપુલ મતિ હોય જ નહીં કોઈને. ‘આ’ તો એક્સેપ્શન (અપવાદ) કેસ બની ગયો છે ! જગતમાં વિપુલ મતિ ક્યારે કહેવાય ? એવરીવ્હેર એડજસ્ટ કરી આપે એવી મતિ હોય. આ તો કાચું કાપવાનું હોય તેને બાફી નાખે અને બાફવાનું હોય તેને કાચું કાપી નાખે તો ક્યાંથી એડજસ્ટ થાય ? પણ એવરીવ્હેર એડજસ્ટ થવું જોઈએ.

ગમતા-ના ગમતાનો કરો સમભાવે નિકાલ

જે જે પ્રકારનો સંયોગ ભેગો થયો એ બધી ફાઈલ. અહીંથી જતાં હોય અને વાંદરાની ખાડી આવે એટલે સંયોગ ભેગો થાય. એ ફાઈલ ના કહેવાય ? ત્યાં આપણે કહીએ, ‘આ સરકાર જુઓ ને, ગટરો સમી નથી કરતી ને આ બધું...’ એ બગડ્યું. ફાઈલનો સમભાવે નિકાલ કરવાનો. ના ફાવે તો નાક દાબી રાખ થોડીવાર. નહીં તો પછી આપણે સમભાવે નિકાલ કરવો હોય ને, તો ગંધાતું હોય તોય આપણને વાંધો ના આવે. આ દુનિયા ગંધાતું બધું ચલાવી જ લે છે ને ! સુગંધીવાળું તો કોઈ જગ્યાએ હોતું જ નથી ને ? ઓશીકું ખરાબ આવ્યું, ત્યાં આખી રાત રહેવાનું તો આપણે શું કરવાનું ? કકળાટ કરવાનો ? તો શી રીતે એનો સમભાવે નિકાલ કરો ?

પ્રશ્નકર્તા : એને એડજસ્ટ થઈ જવાનું.

દાદાશ્રી : હા, એડજસ્ટ થઈ જવાનું. ‘આ નથી સારું’, ત્યાં આપણે કહેવાનું કે ‘બહુ સારું છે. આ બાજુ સારું છે, આમ ફેરવી નાખો ને !

(પા.૧૮)

આમ સારું છે’ એમ કહીને પછી સૂઈ જવું.

ના ગમતો માણસ હોય ને, તે એને ‘છીટ, છીટ, હટ’ કરે. ‘અલ્યા મૂઆ, આવું કરવાનું રહેવા દે ને !’ એને બદલે કહીએ, ‘ક્યારના આવ્યા છો ? બેસો. ચા પીશો ?’ ના ગમતું તો આપણે અંદર છે ને ? પણ એને ખબર ના પડે એવું રખાય કે ના રખાય ? સમભાવે નિકાલ કરવો હોય તો રખાય કે ના રખાય ?

પ્રશ્નકર્તા : રખાય.

દાદાશ્રી : એ કપટ ગણાતું નથી. કપટ તો આપણે એની પાસે કશું લેવું કે એનો લાભ ઊઠાવવો હોય ત્યારે કપટ કહેવાય. એનો સમભાવે નિકાલ કરવો એ કપટ નથી પણ ઊંચામાં ઊંચી વસ્તુ, થિયરી છે.

ના ગમતું આવે એનો સમભાવે નિકાલ કરવો તે મોટામાં મોટું તપ કહેવાય. સમભાવે નિકાલ કરવો એટલે શું ? સામા માટે અભાવ ના થાય, બીજું કશું ના થાય. ના ગમતાનું પ્રોટેક્શન કરીને જતા રહેવાનો ભાવ ના કરે. જતાં રહેવુંય ના ફાવે. પલાયન થઈ જવું તેય ખોટું કહેવાય. આનો નિકાલ કરવો જ જોઈએ. કેટલાંક માણસો કહે, ‘ના, એ નથી ગમતો. આ હેંડો, ઊઠોને અહીંથી.’ એ બહુ ભયંકર ભૂલ કહેવાય. ના ગમતું આવે, ત્યાં બેસી જ રહેવું પડે.

રાગ-દ્વેષનો નિકાલ થયે ઉકેલ આવશે

આ ‘ના ગમે’, તેનો કંઈ ઉકેલ લાવવાનો કે નહીં લાવવાનો? આ ‘ગમે’ તેનોય ઉકેલ લાવવાનો, સંઘરવાનું નથી. જે બધી વાતો ‘ગમે’ એ સંઘરવાની નહીં, એનોય ઉકેલ લાવવાનો ને આનોય ઉકેલ લાવવાનો છે. ‘ગમે’ એ ભરેલો રાગ નીકળે છે અને ‘ના ગમે’ એ ભરેલો દ્વેષ નીકળે છે. એટલે દ્વેષનો ઉકેલ લાવવાનો છે. એટલે ત્યાં અમારી પેઠે રહેવું, બધાની સાથે ભળતા ને ભળતા ! કારણ કે દ્વેષને લઈને જુદાઈ થઈ જાય. ભળતાં રહેવાથી જુદાઈ મટી જાય ને દ્વેષ ઓગળી જાય.

પ્રશ્નકર્તા : દ્વેષનો નિકાલ કરવાનો છે એવું તો સામાન્ય સમજમાં આવે, પણ રાગનો નિકાલ કરવાનો છે, એ તો કંઈક ભારે વાત છે.

દાદાશ્રી : એ તો બધો નિકાલ કરવો પડશે એનો. નિકાલ કર્યા વગર તો કેમ ચાલે તે ? સંઘરેલો માલ સોંપી દેવો પડશે. જે જે પરમાણુ જેના હોય ને, તે એના પરમાણુને સોંપી દઈને છૂટા થઈ જવાનું. ના ગમતા હોય તેય સોંપી દેવા પડશે ને ગમતાય સોંપી દેવા પડશે. પછી વીતરાગ થવાનું છે. હવે આ ચારિત્રમોહનીય એટલે ભરેલો માલ કાઢવો, ભરેલા માલનો હિસાબ ચૂકતે કરવો. એ ચારિત્રમોહનો સમભાવે નિકાલ કરવો.

એવો વ્યવહાર ખીલવે આત્મશક્તિઓ

એટલું નિશ્ચિત માનજો કે ના ગમતા સંજોગો આવશે તેમાં જ તમારું શ્રેય છે. ગમતા સંજોગોમાં તમને ડાઘ પડે છે.

કોઈ રોંગ (ખોટો) વ્યવહાર આવે નહીં તો આપણી શક્તિ ખીલેય નહીં. એટલે આ ઉપકાર માનવો કે ‘ભઈ, તારો ઉપકાર. કંઈક શક્તિ તેં મને ડેવલપ કરી આપી.’

પ્રશ્નકર્તા : બરોબર છે, હા. એ પરમ સત્ય છે.

દાદાશ્રી : સમજે તો ઉકેલ આવે. નહીં તો ઉકેલ નથી આવે એવો. ધર્મ તો વ્યવહારમાં જ હોય. ફક્ત તમારે એમ રહેવાનું કે મારે વ્યવહારમાં આદર્શ રહેવું છે. એવી ભાવના રાખવી. વ્યવહાર બગડવો ના જોઈએ. પછી બગડ્યો તો એનો સમભાવે નિકાલ કરી નાખવો જોઈએ.

આપણે ત્યાં સહેજે ડખો કે ડખલ કશું હોય છે ? જરા મતભેદ થાય, ભાંજગડ થાય, બધું

(પા.૧૯)

થાય, પણ તે નિકાલી ભાવ, પેલો તાંતો નહીં. અને પછી સવારમાં ચા ફર્સ્ટ ક્લાસ થાય પાછી. સાંજના લડ્યો હોય ને મીઠું નાખ્યું હોય દૂધમાં અને તોય સવારના ચા થાય એ દૂધની. દૂધ ફાટી ગયેલું ના હોય, બાર કલાકમાંય.

પ્રશ્નકર્તા : આપણે આપણું મોક્ષનું કામ કરી લેવું. ફાઈલો તો આપણને છોડે નહીં.

દાદાશ્રી : કોઈ આપણું થાય નહીં. આ આત્મા આપણો થાય, બીજું કોઈ ના થાય. મોક્ષે જવાનો એ જ આપણો ભાવ થાય ને ! તે પારકું કામ લાગે ?

પ્રશ્નકર્તા : ના લાગે.

દાદાશ્રી : છતાંય વ્યવહાર છોડી ના દેવાય ને ? નિકાલ કરી નાખવો, લોકોને ખોટું ના દેખાય તેવો. અમે ના ગમતા જોડે નિકાલ કરીએ છીએ ને, નથી કરતા ?

ગમતી - ના ગમતી ફાઈલો જોડે

હવે આપણને ગમતાવાળા એ પણ ‘ફાઈલ’ અને નાગમતાવાળા એ પણ ‘ફાઈલ.’ ના ગમતા જોડે વહેલો નિકાલ કરવો પડે. ગમતાવાળા જોડે નિકાલ થઈ જાય. ના ગમતો છે, માટે પૂર્વભવની જબરજસ્ત ‘ફાઈલ’ છે. આપણને દેખતાં જ ના ગમે. તે આવીને બેસે, ત્યારે આપણે શું કરવું? મનમાં નક્કી કરી નાખવાનું કે ‘ફાઈલનો સમભાવે નિકાલ કરવો છે.’ પછી કહીએ, ‘તમે આવ્યા, બહુ સારું થયું. ઘણાં દિવસે આવ્યા. અમને બહુ ગમ્યું. ભાઈ માટે ચા લઈ આવો, જરા નાસ્તો લઈ આવો.’ ‘ફાઈલનો નિકાલ’ કરવા માંડ્યા એટલે નિકાલ થવા માંડે. પણ બધું સુપરફ્લ્યુઅસ કરવાનું, ડ્રામેટિક ! એ જાણે કે ઓહોહો ! મારા પર બહુ ભાવ દર્શાવે છે ! એ ખુશ થઈ જાય અને વેર બધું ભૂલી જાય. વેર છૂટી જાય એટલે ‘સમભાવે નિકાલ’ થઈ જાય. એ ઊઠે ત્યારે આપણે કહીએ કે ‘જો જો ભઈ, અમારો કંઈ દોષ થયો હોય તો...’ ત્યારે એ જ કહેશે કે ‘નહીં, નહીં, તમે તો બહુ સારા માણસ છો.’ એટલે ચૂકતે થઈ ગયું. આ લોકોને કશું જોઈતું નથી. અહંકાર પોષાયો એટલે બહુ થઈ ગયું.

કોઈ માણસ તમને મારવા આવ્યો હોય, ખૂન કરવા આવ્યો હોય, પણ ‘ફાઈલનો નિકાલ’ કરવો છે એવા તમારા મનમાં ભાવ ઉત્પન્ન થયા કે તરત એના ભાવ ફરી જશે અને તલવાર કે છરી હશે, તે નીચે મૂકીને જતો રહેશે.

ફાઈલ પ્રત્યે પ્રિજ્યુડીસ (પૂર્વગ્રહ) છોડી દો એટલે એ ફાઈલ તમારા કહ્યા પ્રમાણે કરે એવું છે. અમારા કહેલા શબ્દમાં રહે ને, તો સંસાર સરસ ચાલે એવો છે અને મોક્ષે પણ જવાય એટલું સુંદર વિજ્ઞાન છે આ. ક્ષણે ક્ષણે વિજ્ઞાનનો ઉપયોગ થાય એવું છે, પણ વિજ્ઞાન વાપરતાં આવડવું જોઈએ.

ના ગમતું કાઢી નાખો ડિક્શનરીમાંથી

તમે આ ચોવીસેય કલાક મારી જોડે રહો છો, તે ના ગમતું કશું જોયું અમારું ?

પ્રશ્નકર્તા : નથી જોયું.

દાદાશ્રી : ઘણા ફેરા તો મારે દાદરો ઊતરવો હોય તોય તમે કહો કે ‘ના, બેસી જાવ’ તો હું પાછો બેસી જાઉં. હું ‘વ્યવસ્થિત’ને જોઉં કે ‘વ્યવસ્થિત’ કઈ બાજુ જઈ રહ્યું છે, એવિડન્સ બધા. ‘ના ગમતું’ તો આપણી ડિક્શનરીમાં ના હોવું જોઈએ. તેય ના ગમતું ફક્ત શેના માટે? બ્રાંડી છે, સિગરેટ છે એવી અમુક અમુક વસ્તુઓ, વિકારી સ્વભાવ જે મનુષ્યપણાને બેભાનપણું બનાવે એવી ચીજો ના હોવી જોઈએ. મનુષ્યપણામાંથી ઊતારી પાડે એવું ના હોવું જોઈએ. માનવતા ખલાસ કરી નાખે એ ચીજ ના ગમવી જોઈએ આપણને. મનુષ્યમાં જે ખપતું નથી, તે ના હોવું જોઈએ. આ તો તમારી પાસે છે જ નહીં, પછી શા હારુ ‘ના ગમતું’ રાખો છો?

(પા.૨૦)

તમે તો રાત-દહાડો જુઓ છો, પણ અમે સહેજેય અણગમો બતાવ્યો કશામાં ? મને તો એવું કોઈ બોલે કે મને ગમતું નથી, તો બહુ ચીતરી ચઢે. તે એવું બોલતો હશે કોઈ માણસ ? જો દવા પીવાની ના ગમે, સંડાસ જવાનું ના ગમે. કોઈને ગમતું હશે આ બધું ? પણ કરવું જ પડે એ તો. અને એ તો ગમે છે એમ કરીને કરવું પડે.

પ્રશ્નકર્તા : ‘ગમે છે’ એમ કરીને કરવું પડે ?

દાદાશ્રી : ત્યારે શું કરે તે ? ‘નથી ગમતું’ કહે તો બીક લાગે. હંમેશાં જે ચીજ ના ગમે એનો ભય લાગે, એનો ભય પેસી જાય. પોલીસવાળો ના ગમતો હોય તો પોલીસવાળો દેખે ને ભય લાગે. ‘ગમે છે’ કહીએ તો ભય ના લાગે. પોલીસવાળો ‘ના ગમતો’ હોય તો ભય લાગે છે એવું તમે જાણો છો ? નહીં જાણતા હો ?

પ્રશ્નકર્તા : જાણું છું. અને ‘ગમે છે’ એવું કહીએ તો ?

દાદાશ્રી : તો ભય ના લાગે. બસ, આ જ છે. જગતમાં કોઈ ચીજ ‘નથી ગમતી’ એ તો બોલવું જ નહીં.

બગડેલા કેસ સુધરે સમતાથી

એક ભાઈ હતા. તે રાત્રે બે વાગે શું શું કરીને ઘેર આવતાં હશે તેનું વર્ણન કરવા જેવું નથી. તમે જાણી જાઓ. તે પછી ઘરમાં બધાંએ નિશ્ચય કર્યો કે આમને વઢવું કે ઘરમાં પેસવા ના દેવા. શો ઉપાય કરવો? તે તેનો અનુભવ કરી આવ્યા. મોટાભાઈ કહેવા ગયા, તો એ મોટાભાઈને કહે કે ‘તમને માર્યા વગર છોડીશ નહીં.’ પછી ઘરનાં બધાં મને પૂછવા આવ્યા કે ‘આનું શું કરવું ? આ તો આવું બોલે છે.’ ત્યારે મેં ઘરનાંને કહી દીધું કે ‘કોઈએ તેને અક્ષરેય કહેવાનું નહીં. તમે બોલશો તો એ વધારે ‘ફ્રંટ’ (સામો) થઈ જશે, અને ઘરમાં પેસવા નહીં દો તો એ બહારવટું કરશે. એને જ્યારે આવવું હોય ત્યારે આવે ને જ્યારે જવું હોય ત્યારે જાય. આપણે રાઈટેય (સાચુંય) નહીં બોલવાનું ને રોંગેય (ખોટુંય) નહીં બોલવાનું. રાગેય નહીં રાખવાનો ને દ્વેષેય નહીં રાખવાનો. સમતા રાખવાની, કરુણા રાખવાની.’ તે ત્રણ-ચાર વર્ષ પછી એ ભાઈ સરસ થઈ ગયો ! આજે એ ભાઈ ધંધામાં બહુ મદદરૂપ થાય છે ! જગત નાકામનું નથી, પણ કામ લેતાં આવડવું જોઈએ. બધા જ ભગવાન છે, અને દરેક જુદાં જુદાં કામ લઈને બેઠાં છે. માટે ના ગમતું રાખશો નહીં.

પરાકાષ્ટા સમતાની, જ્ઞાનીને

ઉદય તો દરેકના બદલાય. ઉદયમાં સમતાભાવે રહેવું તે ‘જ્ઞાની’ઓની ફરજ.

હમણે મને ધોલો મારે અને હું છંછેડાઉં, તો પછી હું જ્ઞાની જ કેમ કહેવાઉં ? મને ગાળો ભાંડે, કપડાં કાઢી લે, તોય પણ મારા મોઢાં પર જરા પણ ફેરફાર થાય, તો હું જ્ઞાની કેમ કહેવાઉં ? આખા વર્લ્ડની સમતા જ્ઞાનીમાં હોય. કચડી કચડીને મારે-કરે તોય સમતા રાખે અને જોડે જોડે આશીર્વાદ આપે

સરસ-ખરાબમાં તું બંધાયો પોતે

કોઈ વાત પોતાને ગમતી આવે છે અને પાછું ના ગમતુંય આવે છે. ‘એને’ સંજોગ ગમતો આવે છે ને ના ગમતો આવે છે. હવે ગમતું આવે છે ત્યારે એમાં વીતરાગો શું કહે છે કે આ કોઈ ચીજ ગમાડવા જેવી નથી અને ના ગમાડવા જેવી પણ નથી, આમાંથી ‘તું’ છેટો રહે. કારણ કે ના ગમાડવા જેવી ચીજ જ નથી. છતાં ‘તું’ તારી મેળે બંધાય છે કે આ વસ્તુ સરસ છે. અને આને ‘સરસ છે’ કહ્યું એટલે બીજાને ‘ખરાબ છે’ બોલીશ. એકને સારું કહ્યું માટે બીજાને ખરાબ કહેવાનો જ. એટલે વીતરાગો શું કહે છે ? ‘બધા સંયોગો જ છે. અને આ તો આપણે ભાગ પાડ્યા કે આ

(પા.૨૧)

સંયોગ બહુ સારો છે ને આ સંયોગ ખરાબ છે. અને એ સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે, એટલે કોઈપણ સંયોગને ગમતો કરીશ નહિ અને ના ગમતા સંયોગોને તારે ધક્કો નહિ મારવો પડે. જો તું ધક્કો મારવા જઈશ તો તારો મોક્ષ જતો રહેશે. કોઈપણ ના ગમતો સંયોગ ભેગો થયો તો તે ઘડીએ તું એ સંયોગને ધક્કો મારીશ તો તું ફરી ગૂંચવાડામાં પડીશ. માટે એ સંયોગને ધક્કો મારવા કરતાં એને સમતાભાવે તું પૂરો કર. અને એ વિયોગી સ્વભાવનો જ છે. માટે એની મેળે જ વિયોગ થઈ જ જવાનો છે, તારે કશી ભાંજગડ જ નહિ. અને નહિ તોય એ ના ગમતા સંયોગ સામે તું ઊંધો રસ્તો કરવા જઈશ તો પણ કાળ તને છોડવાનો નથી, એટલો કાળ તારે માર ખાવો જ પડશે. માટે આ સંયોગ એ વિયોગી સ્વભાવવાળો છે, એ આધારે ધીરજ ધરીને તું ચાલવા માંડ.’

આ ગજસુકુમારને માટીની પાઘડી બાંધી દીધી હતી ને, એમના સસરાએ ? ને એમાં દેવતા મૂક્યો. તે ઘડીએ ગજસુકુમાર સમજી ગયા કે આ સંયોગ મને ભેગો થયો છે અને તેમાં સસરાએ મોક્ષની પાઘડી બંધાવી છે એવો સંયોગ ભેગો થયો. હવે એ એમણે માનેલું, ‘બીલિફ’માં માનેલું કે આ મોક્ષની પાઘડી બંધાવી છે ને તેમાં દેવતા સળગાવ્યો. હવે નેમીનાથ ભગવાને ગજસુકુમારને કહેલું કે ‘તારું’ સ્વરૂપ ‘આ’ છે અને આ સંયોગો એ ‘તારું’ સ્વરૂપ નથી. સંયોગોનો ‘તું’ જ્ઞાતા છે. સંયોગ એ બધા જ્ઞેય છે.’ એટલે ‘પોતે’ એ સંયોગોમાંય જ્ઞાતા રહ્યા. અને જ્ઞાતા થયા તે છૂટી ગયા ને મોક્ષ પણ થઈ ગયો.

ના ગમતાની રમણતાના જ્ઞાતા એ સ્વરમણતા

આ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી મોક્ષ તો થઈ જ ગયેલો છે. પણ હવે જે થઈ જાય છે રમણતા તે બે પ્રકારની :

(૧) ‘હું શુદ્ધાત્મા છું’ તેમ જાણો અને જે નથી ગમતી તેવી રમણતા કરવી પડે છે. બહાર જવાનું ના ગમતું હોય પણ પહેલા સહી કરી આપેલી છે તે રમણતામાં રહેવું પડે.

(૨) બીજી, સ્વરૂપની રમણતા.

બીજા લોકો પહેલી રમણતામાં તન્મયાકાર થઈ જાય. ગમતી અવસ્થામાં તન્મયાકાર થાય તોય તે ગમતાનું બાંધે ને ના ગમતી અવસ્થામાં તન્મયાકાર ના થાય તોય તે ના ગમતું બાંધે જ. જ્યારે આપણને પણ (પહેલા પ્રકારની) રમણતા આવે ખરી પણ તેમાં આપણે તેના જ્ઞાતા-દ્રષ્ટા હોઈએ. તેમાં આપણે તન્મયાકાર ન થઈ જઈએ.

પ્રશ્નકર્તા : હા, બરોબર છે. ચંદુને જોયા કરે.

દાદાશ્રી : એ ચંદુ જે કરે છે તે જ્ઞેય છે અને તમે જ્ઞાતા છો. તમે જ્ઞાતા એ સ્વરમણતા, જ્ઞેયને જોવું એ સ્વરમણતા.

તારણ કાઢનારા બને મોક્ષના શોધક

દરેક સંયોગમાં આપણે પોતે ભળવા જેવું નથી, એના તો ફક્ત જ્ઞાતા-દ્રષ્ટા માત્ર છીએ. સંયોગોની સાથે આપણે ઝઘડો કરવાનીય જરૂર નથી કે તેની સાથે બેસી રહેવાનીય જરૂર નથી. કોઈ પણ સંયોગ આવે તો કહી દઈએ કે ‘ગો ટુ દાદા.’ દરેક સંયોગ તો નિરંતર બદલાયા જ કરવાના અને આપણે તેનાથી ભિન્ન છીએ. વિચાર આવ્યો એ સંયોગ અને તેમાં ભળીને હાલી જાય તે ભ્રાંતિ છે, તેને તો માત્ર જોવા ને જાણવા જોઈએ.

સંસારમાં રીલેટિવમાં ભય માથે આવે ત્યારે આખો આત્મામાં પેસી જાય ને આત્માનો અનુભવ થઈ જાય ! આ નાનો બાબો હોય તે આમ તો પોતાનું રમકડું છોડે નહીં, ખસેડવા જાય તો હઠે ભરાય ! ને એટલામાં બિલાડી આવે તો બીને બધું છોડીને નાસી જાય ! જેને સ્વરૂપ જ્ઞાન મળ્યું હોય તેને જો કદી મોટો ભય આવે ને, તો તો એને સંપૂર્ણ આત્મ અનુભવ કેવળ જ થઈ જાય ! આપણને પણ સંયોગ આવે છે;

(પા.૨૨)

છતાં આપણે કયા સંયોગ પસંદ કરવાના કે જે રીયલમાં હેલ્પ કરે તે. રીયલનું માર્ગદર્શન આપે તે સંયોગ પસંદ કરવાના, રીલેટિવનું માર્ગદર્શન આપે તે સંયોગ પસંદ નહીં કરવાના. જગતના લોકો સંયોગોના બે ભાગ પાડે : એક નફાના ને બીજા ખોટના; પણ આપણે તો જાણીએ કે નફો-ખોટ એ કોની સત્તા છે ? એ ના હોય આપણી સત્તા ! આપણે તો સત્સંગ મળે એ સંયોગ પસંદ કરવા યોગ્ય ! બીજા તો બધા સંયોગો તે સંયોગો જ છે. અરે, મોટામાં મોટા રાત-દા’ડો જોડે જ સૂઈ રહેનારા સંયોગ - મન-વચન-કાયાના સંયોગ એ જ દુઃખદાયી થઈ પડ્યા છે, તો પછી બીજો કયો સંયોગ સુખ આપશે ? આપણને તો આ સંયોગ છોડે તેમ નથી, પણ ત્યાં સમભાવે નિકાલ કરવાનો છે ! આમાં કેવું છે કે જેમ અવળા સંયોગ વધારે હોય તેમ આ જ્ઞાન વધારે ખીલે તેમ છે ! છતાં અવળા સંયોગ વેચાતા લાવવા જેવું નથી, જે છે તેનો નિકાલ કરી નાખવાનો છે !

જગતમાં સંયોગો તારણ કાઢવા માટે છે, એક્સપિરિયન્સ (અનુભવ) કરવા માટે છે, પણ લોકો ખાંચામાં પેસી ગયા છે. શાદી કરીને ખોળે કે સુખ શેમાં છે ? બૈરીમાં છે ? બાબામાં છે ? સસરામાં છે ? સાસુમાં છે ? શેમાં સુખ છે ? એનું તારણ કાઢ ને ! લોકોને દ્વેષ થાય, તિરસ્કાર થાય પણ તારણ ના કાઢે. આ જગતની સગાઈઓ એ રિલેટિવ સંબંધો છે, રિયલ નથી. માત્ર તારણ કાઢવા માટે સગાઈઓ છે ! તારણ કાઢનારા માણસોને રાગ-દ્વેષ ઓછા થાય અને મોક્ષના માર્ગનો શોધક થાય.

વ્યવસ્થિત શક્તિ કેળવે સમતા

જ્ઞાન તો લીધું પણ હજુ સંસાર તો છે જ અને તેમાં ગમો-અણગમો રહેવાનો. પણ વ્યવસ્થિતનું જ્ઞાન છે તેથી સમતાથી નિકાલ કરીએ. અનિષ્ટ સંયોગોનો નવું ઉપાર્જન કર્યા વગર નિકાલ કરીએ. ચંદુભાઈ નામ એ સંયોગ, ચંદુભાઈનો દેહ છે તેય સંયોગ, ચંદુભાઈની વાણી એય સંયોગ. આ સંયોગોના વિયોગો થવાના.

આ જ્ઞાન મળ્યા પછી નવા પર્યાય અશુદ્ધ થાય નહીં, જૂના પર્યાયને શુદ્ધ કરવાના અને સમતા રાખવાની. સમતા એટલે વીતરાગતા. નવા પર્યાય બગડે નહીં, નવા પર્યાય શુદ્ધ જ રહે. જૂના પર્યાય અશુદ્ધ હોય, તેનું શુદ્ધિકરણ કરવાનું. તે અમારી આજ્ઞામાં રહેવાથી તેનું શુદ્ધિકરણ થાય. અને સમતામાં રહેવાનું.

જેટલો જેટલો સમતાભાવ થાય એટલો અહંકાર ગયો કહેવાય. એટલો ઉઘાડ ઉત્પન્ન થાય. સંપૂર્ણ સમતા થઈ ગઈ એટલે પૂર્ણ ઉઘાડ થઈ જાય

જય સચ્ચિદાનંદ