સિન્સિયારિટી-મોરાલિટી

સંપાદકીય

હિન્દુસ્તાનમાં દુઃખ શાથી છે ? સિન્સિયારિટી અને મોરાલિટી જે મોટામાં મોટું ધન. હિન્દુસ્તાનમાં ઢગલે-ઢગલા હતું, તેને એક્સપોર્ટ કરી દીધું હતું. હવે ફરીથી એને ઈમ્પોર્ટ કરવાનું છે. મોરાલિટી જો વેચી ના દીધી હોત ને, તો કશું દુઃખ ના હોત.

સિન્સિયારિટી એ જ ધર્મ છે. ધર્મ તો પોતાની જાતને અને લોકમાત્રને સિન્સિયર રહેવાનું કહે છે. સિન્સિયારિટી અને મોરાલિટી એકબીજાને જોઈન્ટ જ છે. સિન્સિયારિટીનું ફળ મોરાલિટીમાં આવી જાય. મોરલ થઈ ગયો એટલે પરમાત્માપદ પ્રાપ્ત કરવાની તૈયારી.

દાદાશ્રી પોતાને જ્ઞાન થતા પહેલાની સ્થિતિનું વર્ણન કરતા કહે છે, ‘સિન્સિયર’ આખો દહાડો. ચિત્ત પૈસામાં નહીં, મમતામાં નહીં. ધર્મમાં ને ધર્મમાં ચિત્ત, કેમ કરીને છૂટવું છે એવી ઈચ્છા. પૂર્ણ સ્થિતિ વિશે કહે છે, ‘ફુલ સિન્સિયારિટી અને ફુલ મોરાલિટી; આ બે જ ચીજને લઈને આ પદ ઉપર બેઠો છું અને ભગવાનેય મને વશ થઈ ગયા છે.’

મોરાલિટી એટલે શું ? જગતના જીવમાત્રને ન પોષાય એવો એક પણ અવગુણ ના હોય, એ ફુલ મોરાલિટી. કોઈને કિંચિત્માત્ર નુકસાન ના થાય એવી પેરવીમાં હોય. કોઈનું સુખ લઈ લે નહીં, કોઈનું મન દુઃખાવે નહીં. પોતાના હક્કનું અને તે પાછું સહેજે મળે તે જ ભોગવે એ મોરાલિટી.

મોરલ એટલે કોઈના માટે સહેજ પણ મન બગડે નહીં. ઈન્દ્રિય વિષયોમાં કે ક્રોધ-માન-માયા-લોભમાં કશામાં મન સહેજેય બગડે નહીં. કોઈ સ્ત્રી ઉપર દ્રષ્ટિ ના બગડવી જોઈએ. દ્રષ્ટિ બગડવાથી બીજ પડે અને ભવોભવ બગડી જાય. માટે દાદાશ્રી કહે છે, ‘દ્રષ્ટિ બગડતાની સાથે પ્રતિક્રમણ કરો.’

મોરાલિટી અને સિન્સિયારિટી બન્ને ભેગું કરે ત્યારે શીલવાન કહેવાય. ઈગોઈઝમ ખલાસ થાય પછી શીલવાનપણું પ્રગટ થાય. ઓબ્લાઈઝિંગ નેચર અને પ્રમાણિકપણા સાથે સિન્સિયારિટી અને મોરાલિટી હોય તો સૌ કોઈ એનાથી પ્રસન્ન થાય. મોરલ હોય એની બુદ્ધિ બહુ સુંદર હોય. એ બુદ્ધિ સંસારના દુઃખોને ઉડાડી મેલે, ઘરમાંથી બધો ક્લેશ કાઢી નાખે અને મતભેદોનું નિવારણ લાવે. દાદાશ્રી કહે છે, ‘મોરલ થયા પછી તો મોક્ષે જવાય.’

મોરાલિટી એટલે શું ? હક-અણહકની હદ કઈ ? કઈ રીતે આ પ્રાપ્ત થાય ? આ ગુણો મેળવવા કેવી રીતે જીવન જીવવું એવા અનેક પ્રશ્નોના ફોડ અહીં દાદાશ્રીની વાણીમાંથી સંકલિત થયા છે, જે મહાત્માઓને મોક્ષમાર્ગે પ્રગતિ સાધવા અવશ્ય મદદરૂપ થશે એજ અભ્યર્થના.

~ જય સચ્ચિદાનંદ.

(પા.૪)

સિન્સિયારિટી-મોરાલિટી

જગતનું બેઝમેન્ટ સિન્સિયારિટી-મોરાલિટી

પ્રશ્નકર્તા : અમારી પાસે જે બધા વિવિધ કાર્યક્રમો છે ને, એમાંનો એક કાર્યક્રમ ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ છે. તો આપણી કૃષિ, ખેતીવાડીની જે સંસ્કૃતિ છે એના વિશે આપ કંઈક સમજાવો બધાને, વાત કરો. ખેતીવાડી સબંધી તો બધું કૉલેજોમાં શિખવાડે જ છે લોકોને, છોકરાંઓને.

દાદાશ્રી : એવું છે ને આ બધું શિખવાડેલું, આની પાછળ સિન્સિયારિટી ગૉન (નષ્ટ) થયેલી છે.

પ્રશ્નકર્તા : હા, એટલે એની આપ વાત કરો કે એ સિન્સિયારિટી પાછી ગેઈન કરવી (મેળવવી) જોઈએ. કુદરતમાં વિશ્વાસ રાખવો જોઈએ.

દાદાશ્રી : હા, સિન્સિયારિટી ખલાસ થઈ તેની આ દશા છે આપણી. અને હવે સિન્સિયારિટી આવી રહી છે. આપણે સિન્સિયારિટી અને મોરાલિટી ફોરેનમાં એક્સપોર્ટ (નિકાસ) કરી દીધી’તી. હવે એ ઈમ્પોર્ટ (આયાત) થવા માંડી છે. મેં ઈમ્પોર્ટ કરવા માંડી છે. કારણ કે લોકોમાં સિન્સિયારિટી આવવી જ જોઈએ. હિન્દુસ્તાનનો એક છોકરો તો જગતનું કલ્યાણ કરી નાખે એવો હોય ! કારણ કે સંસ્કૃતિ કેવી આપણી ? એક સ્ત્રી હોય ને રોજ વઢમ્વઢા કરે, પણ એંસી વર્ષ સુધી એના પતિ સાથે રહે. આપણી સંસ્કૃતિ જુદી જાતની છે. આપણા આમ બીજા ગુણો બહુ ઊંચી જાતના છે, ભલે અંડર ડેવલપ (અવિકસિત) દેખાય. આ તો સિન્સિયારિટી ને મોરાલિટી ગઈ તેની આ દશા થઈ છે અને પાછી આવશે થોડા વખતમાં.

આખા જગતનું ‘બેઝમેન્ટ’ (પાયો), ‘સિન્સિયારિટી’ અને ‘મોરાલિટી’ બે જ છે. એ બે સડી જાય તો બધું પડી જાય. આ કાળમાં ‘સિન્સિયારિટી’ અને ‘મોરાલિટી’ હોય, એ તો બહુ મોટામાં મોટું ધન કહેવાય. હિન્દુસ્તાનમાં એ ઢગલે ઢગલા હતું, પણ હવે આ લોકોએ એ બધું ફોરેનમાં એક્સપોર્ટ કરી દીધું, અને ‘ફોરેન’થી બદલામાં શું ‘ઈમ્પોર્ટ’ કર્યું તે તમે જાણો છો ? તે આ ‘એટિકેટ’ના ભૂતાં પેઠાં ! એને લીધે આ બિચારાંને જંપ નથી રહેતો. આપણે એ ‘એટિકેટ’ના ભૂતની શી જરૂર છે ? જેનામાં નૂર નથી તેના માટે એ છે. આપણે તો તીર્થંકરી નૂરના લોક છીએ, ઋષિમુનિઓના સંતાન છીએ ! તારું ફાટેલું લૂગડું હોય તોય તારું નૂર તને કહી આપશે કે ‘તું કોણ છે ?’

ઈમ્મોરાલિટી પણ મોરલ રહેવા જેવું

સિન્સિયારિટી ને મોરાલિટી જેટલી પરદેશમાં ‘એક્સ્પોર્ટ’ કરી છે એથી ડબલ (બમણી) ‘ઈમ્પોર્ટ’ કરીએ તો કામ થાય.

પ્રશ્નકર્તા : એ બધા જે ગુણો છે ને, તે બધા ફોરેનમાં જ હોય છે.

દાદાશ્રી : ના, એ ગુણો જ નથી એમનામાં. ‘એ ગુણો જો ગાયો-ભેંસોને છે’ કહો, તો એના જેવા એમનેય એ ગુણો છે કહેવાય. એમને એ ગુણ નથી, પણ સહજભાવ છે એ લોકોનો. એ એમનો પુરુષાર્થ નથી. અને આપણે તો આવા પ્રયોગમાં મોરલ રહીએ થોડીવાર, તે ઘણું મોટું કામ થયું કહેવાય. આવી ઈમ્મોરાલિટીમાં થોડીકવારેય મોરલ રહે તો ઘણું મોટું કહેવાય.

ફોરેનમાં તો સહજભાવ છે. એટલે ત્યાં જે સિન્સિયર એટલે સિન્સિયર અને ઈનસિન્સિયર એટલે ઈનસિન્સિયર. અને આપણા અહીંના લોક તો બધા જ ઈનસિન્સિયર !

કષાયોની જાગૃતિ તોડાવે સિન્સિયારિટી

આપણે અહીં તો કોઈ પોતાના કાકાને ત્યાં જાય, ત્યાં જઈને કાકાના દીકરાને કહે, ‘મારે ત્યાં

(પા.૫)

અહીં દાદા આવવાના છે અને મારે ગાંધીનગર લઈ જવા છે, તો તમારી ગાડી છે તે મને પરમ દિવસે આપજો.’ તે પેલા લોકો સંસારમાં એટલા બધા જાગૃત હોય, આમાં આપણી બહુ ઊંચી જાગૃતિ હોય. કારણ કે તે ક્રોધ-માન-માયા-લોભની જાગૃતિ છે ને ! એટલે પેલાની જાગૃતિમાં શું આવે કે અહીંથી વીસ માઈલ જતા, વીસ માઈલ આવતા એમ ચાલીસ માઈલ અને પેટ્રોલના પૈસા મગાય નહીં આપણાથી. એ બધો હિસાબ તરત ને તરત કાઢી નાખે, અને એ જાણે કે આ પાંચસો રૂપિયાનો ખોટો ખર્ચ થશે. એટલે તમને બીજો જવાબ આપે કે ‘ભઈ, હું તમને આપત ખરો, પણ મારે સાહેબ આવવાના છે’, એમ કંઈ બહાનું કાઢે.

એટલે આ શાથી ? ડેવલપમેન્ટના આધારે આવું કરે છે, એ ડેવલપ એટલે. ફોરેનવાળો તો સારો માણસ હોય ને, તો તમે એને કંઈક કહો તો ‘યસ, યસ’ કરીને પોતાના ખર્ચે બધે લઈ જાય, કારણ કે સહજ છે બિચારા. આપણી ગાયો-ભેંસોય સહજ છે. ગાયો-ભેંસો તો પશુરૂપે સહજ છે, પણ આ ફોરેનવાળા મનુષ્યરૂપે સહજ છે.

પ્રશ્નકર્તા : એટલે આ બધો ડખો બુદ્ધિનો છે, અવળ બુદ્ધિ !

દાદાશ્રી : આ બુદ્ધિ વધીને તે આ આંતરિક બુદ્ધિ, ક્રોધ-માન-માયા-લોભવાળી. આંતરિક બુદ્ધિ વધે એટલી બળતરા વધે. એ કાઉન્ટર વેઈટ છે. આંતરિક બુદ્ધિનું કાઉન્ટર વેઈટ શું ? એટલી બળતરા હોય જ. આ ફોરેનમાં આંતર બુદ્ધિ હોતી નથી, ફોરેનમાં બાહ્ય બુદ્ધિ છે, ભૌતિક બુદ્ધિ છે.

જેના રસ્તા પર જોઈએ તો એક સિગરેટનું ઠૂંઠું ના દેખાય કે દીવાસળીનો ટુકડો ના દેખાય. ભૌતિક સુખના ટોચ પર બેઠેલો દેશ.

પ્રશ્નકર્તા : પણ ઘણીવાર એ ભૌતિક સુખ છે ને, એ અકળામણ ઊભી કરે.

દાદાશ્રી : અકળામણ જ ઊભી કરે, ત્યારે બીજું શું થાય તે ? ભૌતિક સુખ હંમેશાંય સિન્સિયારિટી ઉડાડી દે. કારણ કે હાર્ટ બંધ થઈ જાય, હાર્ટની વાત જ ઊડી જાય. જેને આપણા લોક દિલ્લગી કહે છે ને ! હવે મારી જોડે જો દિલ લાગી જાય તો કામ થઈ જ ગયું પછી.

સિન્સિયારિટી એમાં હાર્ટની જરૂર પડે. અને મોરાલિટીમાં બુદ્ધિની જરૂર પડે, આ બે શબ્દો એટલા બધા કિંમતી છે, કે તમામ શાસ્ત્રો આ બે શબ્દોમાં આવી જાય છે !

સાંસારિક જાગૃતિ ડેવલપમેન્ટના આધારે

પ્રશ્નકર્તા : એટલે એ પેલી બિનસલામતીની ભાવનાની સામે સલામત કેમ રહેવું ? પોતાનું કેમ બચાવી લેવું ? પોતાનું રક્ષવું અને બીજાનું ભક્ષવું એ શોષણ પણ એના કારણે જ થાય છે.

દાદાશ્રી : એ એટલું જ આ સંસારનું, ક્રોધ-માન-માયા-લોભ શું ? કે મારું પોતાનું આટલું અને બીજું બધાનું આમતેમ... આ પારકું, એ કાયમ જાગૃતિ હોય મહીં. અને આ શેઠિયા છે ને અમદાવાદના, તે શેઠાણી જોડે કાયમ જાગૃત હોય કે આમ કરીને વધારે માગશે તો મારે આવું કહેવું બધું... તે જૂઠું બોલે. બધા સામસામી જૂઠું બોલે. મહીં દગાફટકા જ બધે, આ ડેવલપમેન્ટ છે એટલે. ત્યાં સિન્સિયારિટી હોય ફોરેનમાં. જે સિન્સિયર છે એ સિન્સિયર અને જે ઈનસિન્સિયર છે તે સિન્સિયર થાય જ નહીં પાછો, એનું નામ સાહજિક. આપણે ત્યાં ઈનસિન્સિયર હોય તેય સિન્સિયર થઈ જાય. બધું આવડે એવું.

કમ્પ્લીટ સિન્સિયારિટી-મોરાલિટી ત્યાં ચારિત્રબળ

પ્રશ્નકર્તા : એક વાક્ય જે મોટા પુરુષો બોલે છે અને એક વાક્ય હું બોલું, તે કદાચ એમના કરતાં વધારે સારું હોય. પણ જે એમનો પ્રભાવ પડે તેવો મારો પ્રભાવ ના પડે, શાથી ?

(પા.૬)

દાદાશ્રી : વચનનું બળ હોય છે એ. કારણ કે જેટલું એનું શીલ-ચારિત્ર એટલું બળ ! કમ્પ્લીટ (સંપૂર્ણ) મોરાલિટી, કમ્પ્લીટ સિન્સિયારિટી, એનું નામ ચારિત્ર. કમ્પ્લીટ મોરાલિટી, સેન્ટ પણ ઓછી નહીં. કમ્પ્લીટ સિન્સિયારિટી, સેન્ટ પણ સિન્સિયારિટી ઓછી નહીં. એનું નામ ચારિત્ર. એ ચારિત્ર હોય ત્યાં બધું જ ચાલે.

આ તો ગુરુ કહેશે, ‘મોરલ અને સિન્સિયર થા. બી મોરલ અને બી સિન્સિયર !’ પણ એ બોલ બોલ કરવાની જરૂર નથી. આ તો ‘બી મોરલ ને બી સિન્સિયર’ એવું રોજ કહેતા આવ્યા. એ સાંભળી સાંભળીને તો મારા કાન ફૂટી ગયા. હવે તો અમને કેવી રીતે સિન્સિયર થવાય ને કેવી રીતે મોરલ થવાય એવું તમે જાતે દેખાડો. તમે રૂપક થઈને, તમે તે રૂપ થઈને બતાડો. ‘કથા સૂણી સૂણી ફૂટ્યા કાન, તોય ના આવ્યું બ્રહ્મજ્ઞાન’ કહે છે. પણ લોકોય શું કરે ? કશોય ખોરાક ના મળે ત્યારે જે કંઈ કંટ્રોલના ઘઉં મળ્યા સડેલા, તે જઈને લઈ આવે પાછો. અને ‘પેલા કરતા આ ઘઉં સારા છે’ કહે. કંઈક ખોરાક તો જોઈએ ને ! તે ‘બી મોરલ ને બી સિન્સિયર’ કહેતા હોય ત્યાં જાય. એવું તો હું પણ ત્યાં જતો હતો. પણ હું કહી દેતો હતો કે ‘સાહેબ, મને કહેવાની તમારે જરૂર નથી. તમારામાં દેખાશે ત્યારે તમને દેખીને જ હું એવો થઈ જઈશ.’

અલ્યા, મોરલ તું થઈને આવ ને ! તું મોરલ થઉં ને, એટલે તારે મને નહીં કહેવું પડે. મોરલ થઈને મને કહે તો હું મોરલ થઈ જઈશ. તને દેખતાંની સાથે મોરલ થઈ જઈશ. જેવું જોઈએ, એવું આપણે થઈ જ જઈએ. પણ એ પોતે જ થયો નથી ને !

મારામાં વીતરાગતા હોય તે તમે જુઓ, ને એક ફેરો એ જોઈ લઈએ તો પછી થાય. કારણ કે હું તમને કરી બતાવું છું, માટે તમને એડજસ્ટ થઈ જાય. એટલે હું પ્યૉર (ચોખ્ખો) હોઉં, તો જ સામો માણસ પ્યૉર થઈ શકે ! એટલે પ્યૉરિટી કમ્પ્લિટ હોવી જોઈએ.

મોરલને જોઈને થવાય મોરલ

હું તમને ‘મોરલ થાવ’ એમ કહે કહે નથી કરતો, પણ ‘મોરલ કેમ થવાય’ તે કહું છું. હું એવું કહેતો જ નથી કે ‘તમે આમ કરો, સારું કરો કે આમ થાવ.’ હું તો ‘મોરલ કેમ થવાય’ તે કહું છું, રસ્તો બતાવું છું અને જ્યારે લોકોએ શું કરેલું ? ‘આ રકમ અને આ જવાબ.’ અલ્યા, રીત શીખવાડ ને ! રકમ ને જવાબ તો ચોપડીમાં લખેલાં જ છે પણ એની રીત શીખવાડ ને ! પણ રીત શીખવાડનારો કોઈ નીકળ્યો નથી. રીત શીખવાડનારો નીકળ્યો હોત તો આ દશા હિન્દુસ્તાનની હોત નહીં. હિન્દુસ્તાનની દશા તો જુઓ આજે ! કેવી દશા થઈ ગઈ છે !

એક માણસ એવો દેખાડો કે જે મોરલ ને સિન્સિયર હોય.એટલે હિન્દુસ્તાનમાં આ જોઈએ છે કે ‘બી સિન્સિયર ને બી મોરલ.’

સિન્સિયારિટી અને મોરાલિટીની કંઈ કિંમત તો હશે ને ? અમે આ બેઉના ઉપર બહુ જ વજન મૂકીએ છીએ. કારણ કે આ બે વસ્તુ સિન્સિયારિટી ને મોરાલિટીમાં અમારા ફુલ પરસેન્ટ (પૂરા ટકા) છે.

એટલે આ બે વસ્તુ હોય આ કાળમાં તો બહુ થઈ ગયું. મારી પાસે પહેલેથી હતી. જરાક થોડું ઘણું કળિયુગની અસર થઈ હશે, તેય અઢારથી પચ્ચીસ વર્ષની ઉંમરમાં. તે એ સાત વર્ષમાં જરા અસર લાગેલી કળિયુગની. તેય મને ખબર પડી ગયેલી કે આ ભયંકર કળિયુગમાં સપડાયા આપણે. પણ બહુ મોટી-લાંબી અસર નહીં. બહુ જૂજ એવી ચામડી એકલી જ બળે, હાડકા બળે નહીં. આ તો લોકોએ હાડકા બળે એવી ઈનસિન્સિયારિટી કરી છે ! ઈમ્મોરાલિટી તો હાડકા નહીં, આખું

(પા.૭)

શરીર બળ્યા કરે. કરોડો રૂપિયા પાસે હોય તોયે શરીર બળ્યા કરે.

સિન્સિયર રહી શકે ગુના મુક્ત

ભગવાન કહે, સિન્સિયર રહે. સિન્સિયરને કોઈ ગુનો લાગુ થતો નથી. આ જે ગુના લાગુ થાય છે ને, તે કાયદામાં રહે છે તોય ગુના લાગુ થાય છે. કારણ કે સિન્સિયર નથી માટે. મેં ભગવાનને કહ્યું, ‘હું કંઈ તમારો બંધાયેલો છું ? સિન્સિયર છું પણ તમારો બંધાયેલો નથી. બંધાયેલો તો, જેને પૈણીને આવ્યો ત્યાં છું, પણ તમને સિન્સિયર છું.’

એક વણિક શેઠ છે તે વીસ હજાર રૂપિયા એના બેંકમાં હતા. શેઠાણીને જાત્રાએ જવું હતું, તે સાત વર્ષથી પૈસા આપતા નહોતા કે ‘હજુ બેંકમાં કશું છે નહીં.’ તે આ તો બઈનેય છેતરે. અને જાતને હઉ છેતરે ! એવું શાને માટે ? એક પોતાના ઘરેય વિશ્વાસ ના રાખવો જોઈએ ? પણ ત્યાંય બીજું કંઈ જુએ ને !

સિન્સિયારિટી એ જ ધર્મ

હા, સિન્સિયારિટી એ જ ધર્મ છે. એ પછી સ્ત્રી જોડે રાખો કે ભગવાન જોડે રાખો. તમને અનુકૂળ આવે ત્યાં રાખો.

ધર્મ તો તેનું નામ કહેવાય કે ધર્મ થઈને પરિણમે. કોઈ ગાળ ભાંડે, અપમાન કરે ત્યારે ધર્મ મદદ કરે, તેનું નામ ધર્મ. કેટલાંય દેરાસરોનાં પગથિયાં ઘસી નાખ્યાં તોય ધર્મ હાજર નથી રહેતો. આ તો ધર્મ કેમ મદદ નથી કરતો ? ત્યારે કહે, ધર્મને સિન્સિયર રહ્યા જ નથી. આ તો પોતાના સગા ભાઈને જ સિન્સિયર નથી રહેતા ને ! ભગવાનના દર્શન પણ સિન્સિયર નથી કરતો. ભગવાનના દર્શન કરતો હોય ત્યારે બહાર કાઢેલા જોડાને યાદ કરે કે દુકાનને યાદ કરે. ધર્મ તો, પોતાની જાતને અને લોકમાત્રને સિન્સિયર રહેવાનું કહે છે, નહીં તો ધર્મ પામે નહીં.

પ્રશ્નકર્તા : ધર્મ પામે નહીં એટલે શું, દાદા ?

દાદાશ્રી : અધર્મ એટલે સુખ પામે નહીં. ધર્મ એટલે દુઃખ પામે નહીં. અધર્મ એ દુઃખ અને ધર્મ એ સુખ. એ પોતાની જાતને, લોકમાત્રને સિન્સિયર રહે તો એ સુખ પામે, નહીં તો સુખ પામે નહીં. આપણા લોકો ધર્મથી સુખ ઉત્પન્ન થાય એટલે એને સુખ કહે છે. અધર્મથી દુઃખ ઉત્પન્ન થાય.

સિન્સિયારિટીની પાછળ આવે મોરાલિટી

સિન્સિયારિટી મોક્ષ ભણી લઈ જાય. સિન્સિયારિટી એનું ફળ મોરાલિટીમાં આવી જાય. હા, થોડો થોડો સિન્સિયર હોય, પણ જો સિન્સિયારિટીના લક્ષ પર ચાલ્યો, એ રોડ ઉપર ચાલ્યો, તો મોરલ થઈ જાય. અને મોરલ થઈ ગયો એટલે પરમાત્મા પ્રાપ્ત કરવાની તૈયારી ! એટલે પહેલી સિન્સિયારિટી જોઈએ. મોરાલિટી તો પછી આવે.

પ્રશ્નકર્તા : એનો અર્થ એ કે સિન્સિયારિટી ને મોરાલિટી એકબીજાને જોડેલા જ છે ?

દાદાશ્રી : હા, જોઈન્ટ જ છે એ ! મોરલ તૂટ્યું એટલે બીજું રહ્યું જ શું તમારી પાસે ?

મોરાલિટીની વ્યાખ્યા

પ્રશ્નકર્તા : દાદા, મોરાલિટીની ડેફિનેશન (વ્યાખ્યા) શું છે ?

દાદાશ્રી : જગતના જીવમાત્રને ન પોષાય એવો એક પણ અવગુણ ના હોય, એ ફુલ મોરાલિટી. પછી તો એ અધૂરી હોય મોરાલિટી, ચલાવી લેવા જેવી. જેમ સ્કૂલમાંય તેત્રીસ ટકે પાસ કરે છે ને !

પ્રશ્નકર્તા : દાદા, એટલે વીતરાગપણું જ ને ? કમ્પ્લીટ વીતરાગપણું જ ને ?

દાદાશ્રી : હા.

(પા.૮)

પ્રશ્નકર્તા : મોરાલિટી એટલે સજ્જનતા ?

દાદાશ્રી : ના, ના, સજ્જનતા તો સહેલું છે. મોરાલિટીવાળો તો ઈમ્મોરલ ન થાય, સજ્જન તો દુર્જન થઈ શકે.

મોરાલિટીની સચોટતા

પ્રશ્નકર્તા : દાદાએ મોરાલિટીની વ્યાખ્યા કરી છે કે ‘પોતાના હક્કનું સહેજે મળી આવે તે ભોગવવું.’

દાદાશ્રી : હા, પોતાના હક્કનું અને તે પાછું સહેજે આવીને મળે તે જ ભોગવે, એનું નામ મોરાલિટી. પોતાના હક્કનું જો સહેજે આવીને ના મળે અને માગીને લેવાનું થતું હોય તો નહીં. સહેજે આવીને મળે તે જ ખપે.

મોરલનો અર્થ તમે સમજ્યા ને ? મેં શું કહ્યું ? પોતાના હક્કનું અને સહેજે મળી આવે એ બધું જ ભોગવો. હું શું કહું છું કે આ દુનિયામાં કોઈ એવી ચીજ નથી કે તમે ના ભોગવશો. બધું જ ભોગવો પણ સહેજે મળી આવે અને હક્કનું હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : દાદા, એ સહેજે મળી આવે એનું ઉદાહરણ ?

દાદાશ્રી : કો’કને ટૈડકાવીને ‘લાવ જલેબી પાછી’ એવું નહીં હોવું જોઈએ. એ નવટાંક આપે તો નવટાંક અને શેર આપે તો શેર. જેટલી ખાવી હોય એટલી, પણ સહેજે મળી આવે.

ત્યારે લોક તો પાછા પોતાના હક્કનું ખૂંચવીને લઈ લે છે ને ! હક્કનું પોતાનું હોય, પણ દાવો કરીને, ગમે તેમ કરીને, ખૂંચવી-કરીને પણ લઈ લે છે. અને આ શું કહ્યું ? હક્કનું અને સહેજે આવી મળે, એ ફર્સ્ટ (પહેલું) મોરલ. આથી કરીને પછી બીજા મોરલ કંઈ ઊડી જતા નથી. આ તો ફર્સ્ટ મોરલ, પછી સેકન્ડ (બીજું) મોરલ, થર્ડ (ત્રીજું) મોરલ. બધા મોરલ તો ખરા ને !

હક્ક-અણહક્કની વિવેક બુદ્ધિ

પ્રશ્નકર્તા : પોતાના હક્ક વગરનું પણ લઈ લેવાની વૃત્તિ રાખે છે, તો એની ડીમાર્કેશન લાઈન (ભેદરેખા) ક્યાં આવે છે ? નહીં તો દરેક માણસ એમ જ માને કે હક્કનું જ લઉં છું, તો એની ડીમાર્કેશન લાઈન ક્યાં ? એની વિવેક બુદ્ધિ ક્યાં ? એની લાઈન ક્યાં ડ્રો કરવી કે આ હક્કનું છે ને આ અણહક્કનું છે ? સામાન્ય માણસ માટે તો ખરું ને આ ?

દાદાશ્રી : એવું છે, હક્કનું અને અણહક્કનું અત્યારે વિભાજન કેવી રીતે થાય એવું છે ? અત્યારે લોકોને પોતાને જ્ઞાન નથી એવું ડીમાર્કેશન લાઈનનું. એટલે બીજી રીતે આપણે સ્થૂળ રીતે તપાસ કરીએ તો ખબર પડે કે આ અસીલ મારો મુંઝાય છે અંદરખાનેથી, એટલે એ મુંઝાય નહીં એવા સ્થાનમાં મૂકીએ. આવે તો કહીએ, ‘ખુશ છે’, તો કહે, ‘હા, ખુશ છું.’ ખાનદાન છે ને, એટલે ખુશ છે એમ બોલે ખરો છતાંય અંદરખાને નાખુશ હોય તેમ પણ બને. એટલે આપણે ઝીણવટથી, બહુ બારીકાઈથી તપાસ કરીએ કે આ માણસનું કંઈ મન દુઃખાતું નથી ને ! એટલે પછી આપણે જાણવું કે આપણા હક્કનું છે. બાકી પેલું હક્કનું ને અણહક્કનું જે જ્ઞાન હોય તે જ્ઞાની પાસે હોય છે, દરેક લોકો પાસે હોતું નથી. જ્ઞાની તો સમજી જાય કે આ અણહક્કનું છે. એટલે સામાનું જોઈ લેવું.

કાયદા પ્રમાણે લો તો એને અણહક્કનું ગણાતું નથી, પણ કાયદા જોડે કોમનસેન્સ વાપરવાની ભગવાને કહી છે, વિવેકબુદ્ધિ ! એટલે વિવેકબુદ્ધિ વાપરજે, કહે છે. કારણ કે કોઈ બહુ સીધો માણસ હોય, એને પૈસાની ઉપાધિ હોય, એને છૂટકો જ ના થાય એવું હોય લઢ્યા-કર્યા વગર, તો આપણે એને એવું કહેવું જોઈએ કે બધા પાસેથી અમે વીસ લઈએ છીએ નોટીસના, તે તમારી પાસે પાંચ લઈશું. તમને પોષાશે ? ત્યારે

(પા.૯)

કહે, ‘હા, મને પોષાશે.’ એટલે આપણે ત્યાં જ્ઞાન લઈ ગયેલા એક ડૉક્ટર છે ને, તે શું કરે છે કે જેમાં ચાલીસ લેતા હોય તેમાં પાંચ લઈને છોડી દે છે. પેલો વધારે આપે તો પાછા આપે કે ‘ના, તું લઈ જા.’ એ જાણે કે આ દુઃખી માણસ છે બિચારો ! વધારે આપે તોય પાછા આપે.

કારણ કે સામાની આંતરડી બળશે ને, તો કલ્યાણ નહીં થાય. કાયદા વાપરજો પણ વિવેક બુદ્ધિ હોવી જોઈએ. કાયદા પ્રમાણે વીસ રૂપિયા લેવાના એ હક્કના છે પણ તેથી આંતરડી તો બળે છે ને ! એટલે આપણે શું કહીએ છીએ કે સમભાવે નિકાલ કરો. સમભાવે એટલે સામો ખુશ થઈને જાય, એવી રીતે નિકાલ કરો.

મોરાલિટી એટલે કોઈને કિંચિત્માત્ર નુકસાન ના થાય એવી પેરવીમાં હોય. કોઈનું સુખ લઈ લેવું નહીં, કોઈનું નુકસાન ના કરવું. કોઈનું સુખ ના લઈ લે એવા જ મનુષ્યો છે ને અત્યારે તો ? અણહક્કનું સુખ ના લઈ લે એવા જ છે ને માણસો ?

પ્રશ્નકર્તા : લઈ લે એવા છે, એમ કહો ને !

દાદાશ્રી: બધું અણહક્કનું જ ચલાવ્યું છે. નાણું જ અણહક્કનું ચાલ્યું છે. હવે એમાં જો મોરલ રહું મારા કહ્યા પ્રમાણે, ભલેને આજ સુધી જે થઈ ગયું એ થઈ ગયું, એ તને હું કૃષ્ણ ભગવાન પાસે માફ કરાવી દેવડાવું પણ તું ફરી મોરલ રહેવા માગતો હોય તો. ત્યારે કહે, ‘માફ થઈ જશે ?’ મેં કહ્યું ‘હા, માફ થઈ જશે.’ માફ કેમ ના થાય ? માફ ના થાય એવું દુનિયામાં ના હોય. એ તો મોરાલિટી જોઈએ અને સિન્સિયારિટી જોઈએ.

કષાય-વિષયમાં મન બગડે નહીં એ મોરલ

સ્ત્રીની જોડે, સ્ત્રી સંબંધમાં મોરલ ક્યાં સુધી રહેવાય ? એને સિન્સિયર રહીએ ત્યાં સુધી. એને કિંચિત્માત્ર દુઃખ નહીં થવું જોઈએ. એટલે પોતાની સ્ત્રી જોડેય મોરલ ! પોતાની સ્ત્રી જોડે હરે-ફરે, બધું જ કરે, પણ બીજા કોઈની માટે ખરાબ ચિંતવન નહીં. કોઈનુંય ખરાબ ચિંતવન બિલકુલેય નહીં કરે, વિષય સંબંધી. આ મોરલ એટલે કોઈના માટે સહેજ પણ મન બગડે નહીં. ઈન્દ્રિય વિષયોમાં કે ક્રોધ-માન-માયા-લોભમાં કશામાંય મન સહેજેય બગડે નહીં એ મોરલ.

પછી આગળ મોરાલિટી એટલે પોતાની પુત્રી ઉપર જેટલા ભાવ આવે આખી જિંદગીમાં, તે બધાય પુત્રી ભાવ આવે, બીજો ભાવ આવે નહીં. ત્યારે છોકરાની વહુ ઉપર પુત્રવધૂના જ ભાવ આવે. બીજો ભાવ આવે એ મોરાલિટી તૂટી કહેવાય.

પરણો તેને જ રહો સિન્સિયર

આ તો નાછૂટકે પૈણવાનું કહ્યું છે અને પૈણું તો એક પત્નીવ્રત પાળજે, કહે છે. આ દુષમકાળમાં એક પત્નીવ્રત પાળતો હોય અને જો બીજી જગ્યાએ દ્રષ્ટિ ના બગડતી હોય, તો એને ‘બ્રહ્મચર્ય’ કહ્યું.

પ્રશ્નકર્તા : ધારો કે બે વાઈફ હોય તો, એ શા માટે ખરાબ ?

દાદાશ્રી : કરો ને બે વાઈફ, કરવામાં વાંધો નથી. પાંચ વાઈફ કરો તોય વાંધો નથી. પણ બીજી સ્ત્રી જતી હોય, તેની પર દ્રષ્ટિ બગાડે તો ખરાબ કહેવાય. કંઈ નીતિ-નિયમ તો હોવા જોઈએ ને ?

પ્રશ્નકર્તા : મારી પાસે કોઈ પ્રિન્સિપલ્સ (સિદ્ધાંતો) નથી.

દાદાશ્રી : તો જાનવરની પેઠ રાખવાની જરૂર છે ? જાનવરની પેઠ રાખીએ તો છૂટું જ હોય. તમારે જ્યાં આગળ જેમ અનુકૂળ આવે તેમ કરો. આ મનુષ્યોએ પોતાનો માનવધર્મ સચવાય એટલા માટે આ વ્યવસ્થા કરેલી છે, નહીં તો જાનવરમાં જ ગયો ને પછી તો ! પછી એ જાનવરમાં જ ખપી જાય ને ? કારણ કે કો’કની બેન-દીકરી હોય એવી આપણી બેન-દીકરી હોય, એટલા માટે તો

(પા.૧૦)

આપણે સેફસાઈડ જોવી જોઈએ ને ? આપણી બેન-દીકરી એવી કો’કની બેન-દીકરી.

ફરી પૈણવા માટે વાંધો નથી. મુસલમાનોમાં એક કાયદો કાઢ્યો કે ચાર સુધી તમને છૂટ છે ! પણ બહાર દ્રષ્ટિ ના બગાડવી જોઈએ. બહાર કોઈને છંછેડવું ના જોઈએ. તમને એક સ્ત્રીથી ના પોષાતું હોય તો બે કરો. પણ પેલી બાઈને દુઃખ ન હોવું જોઈએ.

દ્રષ્ટિ બગડે ત્યાં તૂટે મોરાલિટી

પ્રશ્નકર્તા : એ બાઈને તો નેચરલી દુઃખ હોય જ.

દાદાશ્રી : કોઈને દુઃખ થાય એવું વર્તન ન હોવું જોઈએ. અને તે પોતાની સ્ત્રીને દુઃખ ના થાય, એ પહેલું જોવું જોઈએ. કારણ કે આપણે એને વિશ્વાસ આપીને લાવ્યા છીએ. આપણે લગ્નથી બંધાયા છીએ. પ્રોમિસ (વચન) આપેલું છે. પ્રોમિસ આપ્યા પછી જો દગો દઈએ તો પછી આપણે હિન્દુસ્તાનની આર્ય પ્રજા તો ના કહેવાઈએ, પણ અનાડી કહેવાઈએ !

પ્રશ્નકર્તા : તો ચાર પત્ની કેમ કરે છે ?

દાદાશ્રી : મુસલમાનોને એમના કુરાનમાં લખ્યું છે કે મુસલમાન દારૂ પીવે નહીં. દારૂનો છાંટો પડ્યો હોય તો એટલી જગ્યા કાપી નાખે, ખરો મુસલમાન આવો હોય. ખરો મુસલમાન કેવો હોય, કોઈ સ્ત્રી તરફ દ્રષ્ટિ બગાડે નહીં અને જરૂર હોય તો બીજી પૈણે, ત્રીજી પૈણે, ચાર કરે પણ દ્રષ્ટિ ના બગાડે. કેટલું સુંદર બંધારણ છે એનું ! પણ શું થાય હવે, આ લોકો તો થઈ ગયા એવા ! એટલે જ્યાં ને ત્યાં દ્રષ્ટિ બગાડે છે.

પ્રશ્નકર્તા : ચાર પત્ની કરવાથી દ્રષ્ટિ સુધરશે એવી કંઈ ખાતરી ખરી ?

દાદાશ્રી : ના, એ શું કહેવા માંગે છે કે ‘તું દ્રષ્ટિ બગાડીશ નહીં, પછી ભલે તું ચાર પત્ની કર.’ એટલે પછી પોતે નક્કી કરેલું હોય કે મારે આટલામાં જ રહેવાનું છે. અને આ તો એને નક્કી થઈ ગયું, એક જ છે ને મારે ! એટલે બીજે બહાર દ્રષ્ટિ બગાડવાની છૂટ થઈ ગઈ એને ! આ બહાર દ્રષ્ટિ બગાડવાથી શું થાય છે કે એ કંઈ કાર્ય થતું નથી, પણ દ્રષ્ટિ બગડવાથી બીજ પડે છે અને એ બીજમાંથી વૃક્ષ થાય છે. માટે અમે આ બધાને કહી દીધેલું કે તમારી દ્રષ્ટિ બગડે તો તમે પ્રતિક્રમણ કરજો એટલે તમને બીજ નહીં પડે. દ્રષ્ટિ બગડતાંની સાથે પ્રતિક્રમણ કરો.

ભગવાને શું કહ્યું છે ? તું ભોગવ, પણ તારું હક્કનું જે છે તે ભોગવ. અણહક્કનું ના ભોગવીશ. અમથા અણહક્કનું ભોગવવાના ચાળા કરીએ, તેના તો ભવોભવ બગડી જાય. હવે તારી દ્રષ્ટિ બીજી જગ્યાએ નહીં જાય ને ? કોઈ દહાડોય નહીં જાય ને ? આ કાળમાં આની કિંમત વધારે અંકાઈ છે. કસોટીનો કાળ છે એટલે દ્રષ્ટિ પણ બદલાવી ના જોઈએ. અને બદલાઈ હોય તો પ્રતિક્રમણ આપેલું છે, એનાથી ચોખ્ખું કરી નાખવાનું.

અત્યારે આ કળિયુગના પ્રભાવથી હિન્દુસ્તાનની સિન્સિયારિટી ને મોરાલિટી જતી રહી છે. બિલકુલ સિન્સિયારિટી નથી, પણ સમાજને લીધે સારું છે. સમાજના દબાણને લઈને બધું ઘેર રહે છે, નહીં તો રહે જ નહીં. આ સ્ત્રીઓય ન રહે ને પુરુષોય ના રહે. સમાજનું દબાણ છે ને, એટલે આપણે ફાવ્યા છીએ.

કપટ ત્યાં તૂટે સિન્સિયારિટી

મોરલ ત્યાં વક્રપણું ના હોય, ત્યાં કપટ ના હોય. મોરાલિટી ને સિન્સિયારિટી, ત્યાં કપટનો સંપૂર્ણ અભાવ હોય.

મેં એવાય પુરુષ જોયા છે કે આપણે જોયેલું હોય તોય એ ખોટું ઠરાવે, એવું જૂઠું બોલે. ત્યાં

(પા.૧૧)

શું કરવું આપણે ? દાવો માંડવો ? જાતે જોયેલું હોય તોય ખોટું ઠરાવે ! એ મેં શોધખોળ કરેલી પાછી કે આ જાણી-જોઈને જૂઠું બોલે છે ? ના, એ વાત જ ભૂલી ગયો છે.

પ્રશ્નકર્તા : એને ખ્યાલ બહાર થઈ ગયું એવું ?

દાદાશ્રી : હા. અને એ વાત સ્ત્રીઓને ખબર હોય તોય એ ઊંધું બોલે, કપટ કરે. હા, ખબર હોય તોય જૂઠું બોલે. પુરુષો ભૂલી જઈને જૂઠું બોલે. હવે એય એક જાતની ઈનસિન્સિયારિટી છે. સ્ત્રીઓ જાણી જોઈને જૂઠું બોલે. એ તો એનું હાર્ટ (હૃદય) મજબૂત એટલું તેથી. પુરુષોથી આવું જાણી-જોઈને જૂઠું બોલવાનું ના ખમાય. પુરુષનું હૃદય ઢીલું હોય !

પ્રશ્નકર્તા : જાણી-જોઈને જૂઠું બોલે, એ ઈનસિન્સિયારિટીમાં ગણાય ?

દાદાશ્રી : તો શેમાં ગણાય ? અને એ તો ભારે, ડબલ ઈનસિન્સિયારિટી !

આમ તો ધણીને વહુ સિન્સિયર રહે ને વહુને ધણી સિન્સિયર રહે, પણ તોય બેઉ સાચા સિન્સિયર નહીં બિલકુલેય. એ કોયડો છે, મોટો કોયડો !

કિંમત મોરલની છે માટે સાચવો મોરલ

મોરલની જ કિંમત છે બધી. મોરલમાં બધું આવી ગયું. તમારી દુનિયામાં, તમારું મોરલ કેમ છોડો છો ? દુનિયા તમારી છે, માલિક તમે છો. ત્યારે કો’ક કહે, ‘લોકો છોડે છે ને !’ ત્યારે તમારે લોક જેવા થવું છે ? સામાન્યમાં રહેવું છે કે વિશેષમાં રહેવું છે ? બે જાતના લોક : સામાન્ય અને વિશેષ. જો સામાન્યમાં રહેવું હોય તો લોકોના જેવું કર્યા કરો અને વિશેષમાં રહેવું હોય તો ‘વિથ મોરલ બાઈન્ડિંગ’ (મોરલ સાથે) જોઈશે.

કષાયોની મંદતા થાય, એ પણ મોરાલિટી. અત્યારે અમુક હદની મોરાલિટી છે પણ આગળ જતાં સંપૂર્ણ મોરાલિટી થાય ત્યારે મોક્ષે જાય. એટલે સિન્સિયર અને મોરલ, બે જ ! ગુરુના આધીન મોરાલિટી રહી કે કામ થઈ ગયું.

એકનિષ્ઠા એ જ સાચી ભક્તિ

સિન્સિયારિટી ને મોરાલિટી બે ભેગું કરે ત્યારે એકનિષ્ઠ થાય.

પ્રશ્નકર્તા : કૃષ્ણ ભગવાને કહ્યું છે કે ‘એકનિષ્ઠા ભક્તિથી હું પ્રસન્ન થાઉ છું.’ તો યોગથી, જ્ઞાનથી, ધર્મથી, સ્વાધ્યાયથીયે ભક્તિયોગ ચઢિયાતો ગણાય ?

દાદાશ્રી : એકનિષ્ઠા એનું નામ જ ભક્તિ. આ લોકો કરે છે એ ભક્તિ એકનિષ્ઠા ના કહેવાય. જો એકનિષ્ઠા હોય તો ભગવાન આજેય તૈયાર છે. પણ એકનિષ્ઠા છે જ ક્યાં ? લોકોની નિષ્ઠાનું તો ઠેકાણું જ નથી હોતું. એવી એકનિષ્ઠા હોય તે તો વાત જ જુદી ને !

પ્રશ્નકર્તા : પણ ભક્તિમાં નિસ્વાર્થ સેવા આડી આવે છે, તો કયું પસંદ કરવું ?

દાદાશ્રી : ભક્તિ અને સ્વાર્થ-નિસ્વાર્થને કશી લેવાદેવા નથી. ભક્તિ એનું નામ કહેવાય કે ‘ટુ એપ્રોચ નીયર એન્ડ નીયર ટુ ગૉડ.’ (ભગવાનની નજીક ને નજીક જવું.) એમાં સ્વાર્થ-નિઃસ્વાર્થની કંઈ વાત આવી ? એ કશું આવ્યું જ નહીં ને ! ખાલી એપ્રોચ (અભિગમ) જ છે. પણ ભક્તિ એટલે કઈ ભક્તિની વાત કરો છો ?

પ્રશ્નકર્તા : કોઈ સેવાનું કામ આવી પડે, કોઈ મુશ્કેલી આવી પડે, તો ભગવાનની ભક્તિ કરતા હોઈએ તે પડતી મૂકીને જવું પડે ને !

દાદાશ્રી : ભગવાનને એનો વાંધો નથી. પાછું પેલુંય પડતું મૂકીને આવવું પડે ને ? અહીં પડતું મૂકી દઈએ એવું ત્યાંયે પેલુંય પડતું મૂકીને

(પા.૧૨)

આવવું જોઈએ. ભગવાનને એમાં કોઈ વાંધો નથી. એ શું કહે છે ? ‘તારું કામ આવ્યું, જા મૂકીને તું જા. એમાં ડખો નહીં કરવાનો.’

ભગવાનને સિન્સિયર રહીએ તો એમને કંઈ ખોટું નથી લાગતું. આપણે અહીં ભક્તિ કરવા બેઠા અને કોઈક માણસ બોલાવવા આવ્યો કે ‘મારે ત્યાં આગળ છોકરાને બહુ દુઃખ થાય છે, દવાખાનામાં લઈ જવાનો છે. હેંડો ને, હમણે ને હમણે.’ એટલે આપણે ભગવાનને કહીએ, ‘મારે જવાનો વખત થયો, હું જાઉં છું. તમે બારણા વાસી દો.’ હા, કોઈ પેસી ના જાય. અને પછી જવું ને પાછા આવવું. ને ત્યારે કહીએ, ‘બારણા ઉઘાડો. વહેલો આવ્યો છું.’ પણ સિન્સિયર ! એટલે ‘બી સિન્સિયર.’

ઑનેસ્ટી એ ઊંચામાં ઊંચી ભક્તિ

પ્રશ્નકર્તા : જો શરીરનું દુઃખ હોય તો ભગવાનની ભક્તિ ના થાય ને ?

દાદાશ્રી : ભગવાનની ભક્તિ થાય એટલી કરવાની પણ એનાથી વિશેષ તમારે ઓનેસ્ટ (પ્રામાણિક) રહેવાની જરૂર છે. ઓનેસ્ટ રહેવું નથી અને એક બાજુ ભગવાનની ભક્તિ કરવી છે, એના કરતાં ઓનેસ્ટ રહો ને ! ઓનેસ્ટી, એના જેવી ઊંચી ભગવાનની ભક્તિ, કોઈ નથી. ઑનેસ્ટ, સિન્સિયર અને મોરલ, આ ત્રણ વસ્તુ હોય તો બધું થઈ ગયું. એ ભગવાન એવા નથી કે મારા છબલીકાં વગાડ. એ કાંઈ ગાંડા નથી. તમારામાં ઑનેસ્ટી, સિન્સિયારિટી, મોરાલિટી કાંઈક હોવી જોઈએ. અને નહીં થઈ શકે એ ? તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : થઈ શકે દાદા.

દાદાશ્રી : એ કાંઈ આવી ભક્તિ ખોળતા નથી છબલીકાં વગાડવાની. આ તો ઊંધા-છતા કરી અને સવારમાં ભગવાનની ભક્તિ કરવા બેસે એવી ભક્તિ ભગવાન કંઈ જમે કરે નહીં.

ભક્તિ કરતાં આટલું સાચવી લો

પ્રશ્નકર્તા : દાદા, બીજાના આત્માને દુઃખ ના થાય એ ભક્તિ જ કહેવાય ને ?

દાદાશ્રી : હા, એટલું જો સાચવે તો બહુ સરસ. એટલું સાચવે તોય બહુ થયું. મોરાલિટી કહેવાય, સિન્સિઆરિટી કહેવાય.

પ્રશ્નકર્તા : તમે કહ્યું એ તો માને છે કે ઑનેસ્ટી ઈઝ ધ બેસ્ટ ભક્તિ (પ્રામાણિકતા એ શ્રેષ્ઠ ભક્તિ છે.) પણ પછી દરરોજે જે ભગવાનનું નામ લે, તે વખતે છબલીકાં વગાડે તો મનને શાંતિ થાય છે, એ તો સારી વસ્તુ છે ને ?

દાદાશ્રી : ના, પણ એ તો આ ઑનેસ્ટી નહીં રાખવાથી મન બગડ્યું, અને મન બગડ્યું એટલે પાછી આ ધાંધલ કરી. એના કરતા પહેલેથી ઑનેસ્ટી જ રાખો ને.

કલ્યાણકારી નિષ્કામ ભક્તિ

પ્રશ્નકર્તા : દાદા, નિષ્કામ કર્મનું ફળ હશે ?

દાદાશ્રી : નિષ્કામ એટલે શું ? સાચી દાનતનું. નિષ્કામ તો કોઈ માણસ રહી શકે જ નહીં. જ્યાં સુધી જ્ઞાન પામે નહીં ત્યાં સુધી નિષ્કામ થઈ શકે નહીં. પણ સાચી દાનત એ સિન્સિયારિટી ભાવ, ચોક્કસ ભાવ અને સ્પૃહા વગરની.

પ્રશ્નકર્તા : પણ સ્પૃહા વગરની એ નિષ્કામ ન કહેવાય ?

દાદાશ્રી : નિષ્કામ ન કહેવાય. નિષ્કામ તો બહુ મોટો શબ્દ છે. પણ આ લોકો નીચે લાવ્યા છે. કૃષ્ણ ભગવાને નિષ્કામ ભક્તિ કહી છે ને, એ બહુ મોટો શબ્દ છે.‘કામ’ તો બધું બહુ એ આવ્યું, કામમાં તો બધા અંશ આવી ગયા. ક્રોધ-માન-માયા-લોભ બધું ‘કામ’માં આવી જાય છે, વિષયો-બિષયો

(પા.૧૩)

બધુંય. એ નિષ્કામ તો બહુ મોટી વસ્તુ છે, લોક નીચે લાવીને વાપરે છે. એને સ્પૃહા કહેવાય.

ચોખ્ખી દાનતે બધા કામ પૂરા થાય

પ્રશ્નકર્તા : ચોખ્ખી દાનત એટલે શું અને ચોખ્ખી દાનત નહીં એટલે શું ?

દાદાશ્રી : દાનત ચોખ્ખી હોય તો આ દુનિયામાં કોઈ કામ શ્રેય થયા વગર રહે નહીં, કામ પૂર્ણ થાય. દાનત ચોખ્ખી હોય તો સંસારી કામ પૂર્ણ થાય ને અધ્યાત્મનું કામ પણ પૂર્ણ થાય. દાનત સારી, એ બધી ક્લિયર રેલવે લાઈન ! અને દાનત ચોખ્ખી નહીં, એનું ઠેકાણું જ ના પડે. એ ગાડી કયે ગામ જશે એ કહેવાય જ નહીં ! દાનત ચોખ્ખી ના હોય તો ભલીવાર જ ના આવે.

દાનત ચોખ્ખી એટલે કમ્પ્લીટ મોરાલિટી સહિત સિન્સિયારિટી. એની વાત જ જુદી ને ! દાનત ચોખ્ખી હોય તો આ દુનિયામાં કોઈ ચીજ અઘરી નથી.

પ્રશ્નકર્તા : અમુક કામ તો આપણે ફોર્સ (બળજબરી)થી કરવાનું હોય તો એમાં સિન્સિયર કેવી રીતે થવાય ? કોઈ કામ આપણે ફોર્સપૂર્વક, કોઈની જબરજસ્તીથી કરવાનું હોય...

દાદાશ્રી : તો સિન્સિયર થયા વગર નહીં થાય.

પ્રશ્નકર્તા : સિન્સિયર થવું પડે ?

દાદાશ્રી : થવું જ જોઈએ.

પ્રશ્નકર્તા : જે કરે એમાં સિન્સિયર થવું, ભલે પછી કોઈનો આગ્રહ હોય.

દાદાશ્રી : ગમે તે હોય ને, આપણે સિન્સિયર રહેવું. ઈનસિન્સિયરલી કરવું તો પડે જ છે ને, તો સિન્સિયરલી કેમ ના કરવું ?

પ્રશ્નકર્તા : આપણે સિન્સિયરલી કરીએ છીએ કે નહીં, એ કેવી રીતે ખબર પડે ? આપણને લાગે કે સિન્સિયર છીએ જ, સામાને ન લાગે.

દાદાશ્રી : ના, આપણી દાનત ચોખ્ખી હોય તો સિન્સિયરલી કરો ને, શું વાંધો છે ? સાહેબ આવતા હોય તે ઘડીએ કામ કરવા માંડીએ ને પછી ના આવે ત્યારે પાછું ઊંધું ચાલે, એવું નહીં. કોઈને ખુશ રાખવા માટે નહીં.

તે બે શબ્દોથી જ પોતે રહે રક્ષિત

આપણે ખરા દિલથી, સિન્સિયરલી બધા કામ કર્યા કરવા. પછી મોટો ઈશ્વર ઉપરથી આવે ને, તોય એનો ડર રાખવો નહીં.

સિન્સિયર ને મોરલને પોતાનું રક્ષણ કરવું ના પડે. એ બે શબ્દ જ રક્ષણ કરે, દરેક અવતારમાં !સિન્સિયર રહેવાથી કોઈ પણ પ્રકારનો ભય નથી આવે એવો. સંસારમાં કોઈ પણ પ્રકારનો ભય ના આવે અને મોક્ષે ચાલ્યો જાય, સિન્સિયર રહેવાથી.

રહો સિન્સિયર શેઠને

મિલમાં મેં સેક્રેટરીને પૂછયું, ‘શેઠ ક્યાં ગયા છે ?’ ત્યારે કહે, ‘સાહેબ, એક વાત અમારી સાંભળો.’ મેં કહ્યું, ‘શું કહેવું છે ?’ ત્યારે કહે, ‘આપ શેઠ કહો છો એ બરોબર છે પણ માતર કાઢી નાખવા જેવો છે’ મેં કહ્યું, ‘ના બોલાય આવું. મૂઆ, તારા શેઠ પાસે પગાર ખાઉં છું એમનો, ત્યાં સુધી ના બોલાય આવું.’ આપણે કોઈકનો પગાર ખાતા હોઈએ ત્યાં સુધી એનું આવું કેમ બોલાય ? ભલે છોડી દીધા પછી તારે ફાવે એ બોલજે, પણ તું અત્યારે એમનો પગાર ખાઉં છું. સિન્સિયારિટી તો જોઈએ ને આપણે ? અત્યારે જેની ચા પીધી એને માટે સહેજેય ભાવ કેમ બગાડાય ? પણ આ તો સિન્સિયરેય નહીં કશું. એટલે મેં કહ્યું કે આવું ના બોલાય, ભલેને એ શેઠના ‘શઠ’ થઈ ગયેલા હશે.

(પા.૧૪)

સિન્સિયારિટીના અભાવે નિપજે દુઃખ

મનુષ્યોએ મોરાલિટી જો કદી વેચી ના ખાધી હોત ને, તો દુઃખ ના હોત કશું. આ તો મોરાલિટી જ વેચી ખાધી, સિન્સિયારિટી જ વેચી ખાધી. એના દુઃખો છે આ બધા.

સિન્સિયારિટી ને મોરાલિટીથી અહીં બધું દુઃખ જ ના આવે. પણ અહીં દુઃખ છે એને લઈને જ ભગવાન ખોળે છે લોક, નહીં તો આ કલ્પિત સુખોમાં રાચ્યા જ કરે. આ સુખ અહીં આમાં છે જ નહીં. સાચું સુખ તો છે જ નહીં કોઈ જગ્યાએ, કલ્પિત સુખ છે. પણ કલ્પિત સુખેય દુઃખ વગરનું હોય તો સારું પડે. આખો દહાડો દુઃખ ના આવે તો બહુ થઈ ગયું, પણ દુઃખ આવ્યા વગર રહે નહીં. કારણ કે આપણા લોકો વાંકું બોલે છે. રસ્તામાં જતા હોય અને પગ અથડાઈ ઠોકર વાગે છે, એવું તમે જોયેલું કે નહીં ? ઠોકર વાગે કે ના વાગે ? પગે ઠોકર વાગે તો આપણા લોક શું બોલે છે ? ‘મને ઠોકર વાગી’ કહે. હવે ખરો ન્યાય શું છે ? તમે ઠોકરને વાગ્યા છો. કારણ કે ઠોકર તો એ જગ્યાએ હતી જ, તમે એ બાજુ જઈને એને વાગ્યા ! પણ આપણા લોક ઊંધું બોલે ને ! એટલે તે એમ ના કહે કે ઠોકરને હું અથડાયો. હવે આવી રીતે અનસિન્સિયર રહેલા છે અને તેથી નર્યા દુઃખો છે. ભયંકર દુઃખમાં પ્રજા દુઃખી થઈ રહી છે. કંઈક તો સમજવું પડશેને ?

સિન્સિયારિટીનું ફળ સુખ જ મળે છે. સિન્સિયારિટી રહેતી નથી તેનું દુઃખ છે.

મોરલ કેટલું ડાઉન ગયું !

સિન્સિયારિટી ને મોરાલિટી એટલે સુધી નીચે ગયેલી છે, કે જો આ અમારી મામાની પોળ સામે જે ગેટ (દરવાજો) છે તે ગેટ ઊઠાવી લે ને, તો સંડાસ આગળ લોટાય ના જડે. પીત્તળનો લોટો મૂક્યો હોય તો લોટો રહે નહીં. તે આ ગેટને લીધે કંઈક રહ્યું છે. મારું કહેવાનું કે આવી ઊંચી કોમ, ઊંચા વિચાર, સંસ્કાર કેવા ! પણ તેય અત્યારે આવું થઈ ગયું છે.

આપણા દેશમાંથી આ ‘ગેટો’ ઊઠાવી લે તો શું થાય ? અરે, સુકાવેલા કપડાં હઉ લઈ જાય બધા. કારણ કે આજે ઊંચ-નીચ, બધા માણસોનું માનસ જ બગડી ગયેલું છે. ‘હું આમ છું કે જૈન છું કે વૈષ્ણવ છું’ એવું કશું રહ્યું જ નથી. મન જ બગડી જાય એવા છે. ફક્ત આ ગેટને લીધે જ એને ભય લાગે છે, તેથી ભયથી પાંસરા રહ્યા છે.

કિંમત શેની, દ્રવ્યની કે મોરલની ?

એવા કેટલા, લાખ માણસ છે કે જે હાથમાં આવેલો કાળો બજાર છોડી દે ? અને એવા લાખો માણસો હોય ?

પ્રશ્નકર્તા : ભાગ્યે જ કોઈ છોડે.

દાદાશ્રી : બહુ જૂજ માણસો ! એક મકાનમાં સોનાની લગડીઓ પડી હોય અને સાચવનારા કોઈ ના હોય, ત્યાં આગળ અમથા જોવાનું હોય, ને જોઈને પાછું આવવાનું હોય, તો કેટલા જણ મૂઠીમાં ના લેતા આવે ? જુઓને, આપણું મોરલ તો જુઓ ! કેટલું ડાઉન થઈ ગયું છે ! અલ્યા, સોનાની લગડી માટે તારું મન બગાડ્યું ? તારું મન એટલે શાની લગડી છે, એ તું જાણે છે ? એ સોનાની નહીં, અચિંત્ય ધાતુની બનેલી છે. અલ્યા, ત્યારે આ સોના હારુ મન બગાડ્યું તે ? હા, પણ કોઈ સાચવનાર નથી, કોઈ વઢનાર નથી, પછી કોઈ ફરિયાદ પણ કરનાર નથી. માટે ‘આ લઈ લીધી, ચાલો, હેંડો’, કહે. અલ્યા, આનું પરિણામ તો હોય કે નહીં ? દરેક વસ્તુનું પરિણામ હોય કે ના હોય ? અહીં સાચવનાર ના હોય, પણ બીજો કોઈ બાપો તો હશે ને, કોઈક ? કે એમ ને એમ જ હશે, ગપ્પાં ? ગપ્પું હોય ખરું ? એક તરણું ના લેવાય આપણાથી ! અણહક્કનું કશું ના લેવાય. સોના કરતા મન કેટલી કિંમતી ધાતુ હશે ? અચિંત્ય ધાતુ ! આ તો લોકોને

(પા.૧૫)

મોરાલિટીની કોઈ કિંમત નથી.

ઈમ્મોરલ એટલી ઈન્ફિરિયારિટી

આ મોરલ કેમ આટલું બધું ઊતરી ગયું ? લોકોનું જોઈને ! ‘આ મોટા વકીલ છે તે આવું કરે છે, તો આપણે કરવામાં શું વાંધો ? આ મોટા માણસ આવું કરે છે, તો મારે કલેક્ટરને શો વાંધો ?’ મોટા માણસ કરે એટલે કલેક્ટરો કરે કે ના કરે પછી ?

પ્રશ્નકર્તા : દેખાદેખીથી થાય ને !

દાદાશ્રી : ને લોક જાણતા હોય કે આ મોટા માણસ ! અલ્યા, હોય એ મોટા માણસ ? જેને મોરલ નથી તેને ‘મોટો’ કેમ કહેવાય ?ભલે વ્યવહારમાં લોક કહેતા હોય, પણ તું શું કરવા આને મોટો માને છે ? વ્યવહારમાં ભલે કહેવાતા હોય, પણ પોતે ના માનવું એ પોતાના અધિકારમાં નથી ? કેમ કશું બોલ્યા નહીં ?

પ્રશ્નકર્તા : હા, ખરી વાત છે.

દાદાશ્રી : મોરલ તો જોઈએ ને ! મોરલ વગર માણસ જ શી રીતે કહેવાય તે ?

પ્રશ્નકર્તા : પણ એ લોકોને મોરલ જેવું જ ક્યાં ખબર પડે છે ?

દાદાશ્રી : હા, તેથી આપણને કિંમત નથી ને ! આમ મોટા માણસ કહીએ, પણ મોરલ નથી એટલે આપણને ‘વેલ્યુ’ (કિંમત) નથી. એટલે એમને દેખીને આપણને પેલી ‘ઈન્ફિરિયારિટી કોમ્પ્લેક્સ’ (લઘુતાગ્રંથિ) ના થઈ જાય. એ ‘ઈન્ફિરિયર’ છે, તું તો ‘સુપિરિયર’, તું મોરલવાળો માણસ છે. એ તો એને ગભરામણ થાય આપણને દેખતા. મોરલવાળાને ઈમ્મોરલ ભેગો થાય ને, તો એ ગભરાય. એટલે ગભરામણ થાય એને. આ તો દુનિયાનો કાયદો છે. માટે મોરાલિટીની કિંમત વધારવા જેવી છે, અને જેમ બને તેમ મોરલ ઉપર લોકોને લઈ જવા જોઈએ. દાખલોય મોરલનો આપવો. નકામો ‘ઈન્ફિરિયર’ શું કામ થાય છે ? ‘મોટા માણસ, મોટા માણસ’ કરશે ! અલ્યા, એનું મોરલ તો જોઈ આવ તું, ને તારું મોરલ જો. તારું મોરલ ઊંચું છે કે એનું ? માટે મોરલ જુઓ. તમને શું પસંદ, મોરલ કે એવું જ ? કે મોટો માણસ પસંદ ?

જેટલી ઈમ્મોરાલિટી એટલી ઈન્ફિયારિટી

મને એક જણે પૂછયું, ‘દાદા, તમને ઈન્ફિરિયર કોમ્પ્લેક્સ નહીં આવેલો ?’ મેં કહ્યું, ‘આખા વર્લ્ડમાં કોઈની જોડે ના આવે. હું મોરલ છું, સંપૂર્ણ મોરલ છું. ભગવાનેય બોલી ઊઠે કે આવી મોરાલિટી કેમ કરીને સચવાય, આવા કાળમાં ! પણ એવો મોરલ છું. પછી શી રીતે ‘ઈન્ફિયારિટી કોમ્પ્લેક્સ’ આવે ?’

‘ઈન્ફિયારિટી કોમ્પ્લેક્સ’ એટલે શું ? ‘ઈમ્મોરાલિટી !’ જેટલી ઈમ્મોરાલિટી એટલી ઈન્ફિયારિટી. એના આવતા પહેલા જ અંજાઈ જાય. મોરલ વગર મોક્ષે જવાતું હશે ? મોક્ષમાં મોરલ વગર જવાય ?

પ્રશ્નકર્તા : ન જવાય. પણ જે લોકો મોક્ષમાં માનતા જ ના હોય એને શું ?

દાદાશ્રી : તે લોક માનતા જ નથી ને ! મોક્ષને તો ગાંઠતા જ નથી ને !

મોરલ દીપે સૌમ્યતા-પ્રતાપ જેવા ગુણોથી

એ મોરાલિટી બધી વેંચી દીધી લોકોએ. તે મોરલ માણસ તો કેવો હોય ? આમ દેખતા આપણને એનો તાપ લાગે. હંમેશાં ઘણા માણસો એવા હોય જેનો તાપ તમને લાગે. કશું બોલવાની તમારી બત્તી ના ફૂટે (હિંમત ના ચાલે).

પ્રશ્નકર્તા : પ્રભાવ, પ્રભાવ !

(પા.૧૬)

દાદાશ્રી : પ્રતાપ કહેવાય, પ્રભાવ નહીં.

પ્રશ્નકર્તા : પ્રતાપ, હા, પ્રતાપ.

દાદાશ્રી : પ્રતાપ. તે પ્રતાપવાળા તો હિન્દુસ્તાનમાં ઘણા છે. પણ એક બાજુ પ્રતાપ હોય અને એક બાજુ સૌમ્ય હોય, બે સાથે ના હોઈ શકે માણસમાં. સૌમ્ય એ ચંદ્રનો ગુણ અને પ્રતાપ એ સૂર્યનો ગુણ, બે વિરોધાભાસી હોવાથી સાથે ન રહે. તે બન્નેય જ્ઞાનીની મહીં સાથે થયેલા હોય. એટ એ ટાઈમ (તે જ સમયે) સૌમ્યતાય એટલી હોય અને પ્રતાપેય એટલો જ હોય. અને વ્યવહારમાં તો સૌમ્યતાવાળા મહાત્મા હોય તો સૌમ્ય હોય બિલકુલ, પ્રતાપી નહીં. નાગો (નાલાયક) માણસ પેસી જાય ને તો એને તાપ-બાપ ના લાગે અને અહીં તો એવા માણસથી પેસાય નહીં. એ પગથિયા ચડે, તોય ઊતરી જાય. હું તો કહું, પેલા બધાને કે આ ચડે છે પણ ઊતરી જશે, એને તાપ લાગે.

સિન્સિયારિટી-મોરાલિટી પ્રગટાવે શીલ

આ મોરાલિટી અને સિન્સિયારિટી બન્ને ભેગું કરે ત્યારે શીલ થયું કહેવાય.

પ્રશ્નકર્તા : શીલ એટલે શું ?

દાદાશ્રી : શીલમાં તો બધી જ ચીજ આવી જાય. કોઈ ચીજ બાકી નથી રહેતી. ખાસ કરીને આપણે શીલ કોને કહીએ છીએ ? ‘સ્ત્રી ચારિત્ર’ સંબંધમાં શીલવાન કહીએ છીએ ફર્સ્ટ (પહેલું) એ. અને ખરી રીતે આ મોરાલિટી-સિન્સિયારિટી બધું ભેગું આવવું જોઈએ.

પ્રશ્નકર્તા : મારો એવો ખ્યાલ છે કે શીલ એટલે સદાચાર.

દાદાશ્રી : ના. સદાચાર ને શીલવાન બહુ જુદું જુદું છે. સદાચાર એ તો સામાન્ય વસ્તુ છે. સાપથી ભરેલી રૂમ હોય અને શીલવાન આવે રાત્રે અંધારામાં તો એને અડે નહીં. સાપ ઉપર ચઢી જાય બધા, પણ એને અડે નહીં. એટલો બધો શીલવાનનો તાપ લાગે. દુર્જનોને તાપ લાગે, સજ્જનોને શાંતિ લાગે, એ શીલવાન છે.

પ્રશ્નકર્તા : શીલમાં ‘ઈગોઈઝમ’ (અહંકાર) હોય ? શીલ ‘ઈગોઈઝમ’થી પ્રાપ્ત કરાય ?

દાદાશ્રી : ઈગોઈઝમ તો વેરવી છે આનું, છતાં શીલની શરૂઆત ‘ઈગોઈઝમ’થી થાય છે. જેમ જેમ શીલવાન થતો જાય તેમ તેમ ‘ઈગોઈઝમ’ ‘ડલ’ (નબળો) થતો જાય છે. પછી ‘ઈગોઈઝમ’ ખલાસ થાય. પછી શીલવાનપણું પ્રગટ થાય છે. ક્રમે ક્રમે બધું બને છે આ.

પ્રશ્નકર્તા : તો આ શીલ એ કેળવવાની વસ્તુ છે ?

દાદાશ્રી : શીલ જાણવાની વસ્તુ છે. શીલમાં શું શું આવે ? શું ભેગું થાય તો શીલ કહેવાય ? જેમ આ કઢી એટલે કંઈ એક વસ્તુ નથી, બધી વસ્તુનું સંમેલન છે. એવું આ શીલ એ કોઈ વસ્તુ નથી, સંમેલન છે. હરેક ગુણ એમાં આવી જવા જોઈએ. અને આ અંગ્રેજીમાં તો બે શબ્દ કહી દઉં છું કે મોરાલિટી ને સિન્સિયારિટી, એમાં બધું આવી જાય.

પ્રશ્નકર્તા : એ બરાબર. પણ આ શીલ એ અભ્યાસનો વિષય છે ?

દાદાશ્રી : અભ્યાસથી બહુ ત્યારે ‘સી.એ.’ થાય, શીલ ના થાય. જેનામાં આ સિન્સિયારિટી ને મોરાલિટી ગુણો દેખાતા હોય, એમના સંગમાં-સંસર્ગમાં બેસવાથી આ શીલ ઉત્પન્ન થાય છે.

સર્વ ગુણો સમાયા શીલમાં

પ્રશ્નકર્તા : જે શીલ કહ્યું આપે, એમાં મોરાલિટી-સિન્સિયારિટી એ ઉપરાંત બીજા ગુણો હોવા જોઈએ ?

દાદાશ્રી : શીલ તો બહુ ઊંચી વસ્તુ છે. આ મોરાલિટી-સિન્સિયારિટી, એ તો શીલની મહીં

(પા.૧૭)

સમાઈ જાય. પણ શીલ એ છે તે મોરાલિટી-સિન્સિયારિટીમાં સમાય નહીં. આવડા મોટા વાસણમાં આવડું નાનું વાસણ સમાઈ જાય. પણ આ મોરાલિટી અને સિન્સિયારિટી, એમાં હેતુ શીલનો છે. બાકી આનાથી માણસ સમજી શકે કે શું શું આવી ગયું શીલમાં !

શીલવાનમાં મોરાલિટી, સિન્સિયારિટી, બ્રહ્મચર્ય એ બધું હોય. એ શીલવાનને સ્ત્રીનો વિચાર પણ ન આવે. પછી સહજ નમ્રતા હોય. સહજ એટલે નમ્રતા કરવી ના પડે, સહેજ જ સામાના આગળ નમ્ર થઈને જ બોલે. પછી સહજ સરળતા હોય, સરળતા કરવી ના પડે. જેમ વાળો તેમ વળે. એનો સંતોષ સહજ હોય. આટલા જ ભાત ને કઢી આપણે ધરીએ ને, તો એ ઊંચું જુએ નહીં. સહજ સંતોષ ! એની ક્ષમા પણ સહજ હોય. એનો અપરિગ્રહ-પરિગ્રહ બન્ને સહજ હોય.

‘જ્ઞાની’ દ્રષ્ટિએ બધા ચોખ્ખા

પ્રશ્નકર્તા : તમને બધા ચોખ્ખા જ દેખાય છે, એ તમારી એવી દ્રષ્ટિ એવી હશે માટે ને?

દાદાશ્રી : એ ચોખ્ખા છે જ ને બધા. કંઈ મેલા છે બધા ?

પ્રશ્નકર્તા : ના, પણ તમે આમ સ્પષ્ટ કહો છો જ, સ્પેસિફિક (નિશ્ચિત) રીતે કહો છો કે આ માણસ ચોખ્ખો જ છે.

દાદાશ્રી : તે આને ચોખ્ખા કહું તો પાછો મારે આને મેલોય કહેવો પડે. મારે રાગ-દ્વેષ ઊભા રહે. એટલે અમે સામાન્ય ભાવે જ રહીએ.

પ્રશ્નકર્તા : ના, પણ તમે હમણાં નથી કહેતા કે ‘નગીનભાઈ બહુ ચોખ્ખા માણસ’, એવું સ્પેસિફિક કેમ કહો છો ?

દાદાશ્રી : એ તો સાધારણ રીતે અમારે એ દાખલા માટે કહેવું પડે, એટલે એ સમજાવવા માટે કહીએ. એ અપવાદ તરીકે. બાકી આમ કૉમન (સામાન્ય)ભાવે જ જોઈએ અમે બધું.

પ્રશ્નકર્તા : પણ એ કયા વ્યૂ પોઈન્ટ (દ્રષ્ટિબિંદુ)થી ચોખ્ખા ? વ્યૂ પોઈન્ટ કયો તમારો, ચોખ્ખા એટલે ?

દાદાશ્રી : ચોખ્ખા એટલે મોરલ એન્ડ સિન્સિયર. જ્યાં સિન્સિયારિટી નથી, ત્યાં શું છે ? અને મોરાલિટી નથી, ત્યાં કશું નથી.

પ્રશ્નકર્તા : એક વાક્ય છે ‘લૉસ ઑફ સિન્સિયારિટી ઈઝ લૉસ ઑફ પાવર.’ (સિન્સિયારિટીનું નુકસાન એ શક્તિનું નુકસાન છે.)

દાદાશ્રી : હા, લૉસ ઑફ સિન્સિયારિટી એ લૉસ ઑફ પાવર છે. સિન્સિયારિટી એ જ પાવર છે.

રાખો ઓબ્લાઈઝીંગ નેચર અને પ્રામાણિકતા

પ્રશ્નકર્તા : સૌને પ્રસન્નતા કેવી રીતે આપી શકીએ ? સૌના મનનું સમાધાન કેવી રીતે કરી શકીએ ?

દાદાશ્રી : ઑબ્લાઈજિંગ નેચર (પરોપકારી સ્વભાવ) રાખવાનો અને પ્રમાણિકપણું રાખવાનું ફાવશે ?

પ્રશ્નકર્તા : હા !

દાદાશ્રી : અને આ બેને કપડાં પહેરાવવાનાને ? ઑબ્લાઈજિંગ નેચરને અને પ્રમાણિકપણાને સિન્સિયારિટી અને મોરાલિટીના કપડાં પહેરાવવાના. આટલું કરશો એટલે બધું જ તમારું સફળ. એટલે સિન્સિયારિટી-મોરાલિટી ટોપમોસ્ટ (સર્વશ્રેષ્ઠ) નહીં, તમને જેટલી ફાવે એ તમારી શક્તિ પ્રમાણે. ટોપમોસ્ટ શબ્દ હું કહી શકું નહીં. ટોપમોસ્ટ થાય તો ભગવાન થઈ જાય. તમારો પ્રશ્ન સારો છે, એટલે આ તમને વાત કરી. જો તે અનુકૂળ આવે તો કરજો, નહીં તો તમે મને કહેજો કે ‘સાહેબ,

(પા.૧૮)

મને કરી આપો. મારાથી નથી થતું.’

અક્કલ બે જાતનીઃ વ્યભિચારિણી ને અવ્યભિચારિણી. અવ્યભિચારિણી હશે તો તું સુખી થઈશ એ અક્કલથી. ત્યારે કહે, ‘એ પાછું ક્યાંથી લાવીએ ?’ ત્યારે મેં કહ્યું, ‘એમાં લાવવા જવાનું નથી.’ ઑબ્લાઈજિંગ નેચર અને પ્રમાણિકતા પાળી, તેને સિન્સિયારિટી ને મોરાલિટીના કપડાં પહેરાવો.

પ્રશ્નકર્તા : પછી આગળ ડ્રામેટિક (નાટકીય)રહેવાનું કહો છો ને, તમે ?

દાદાશ્રી : હા, આટલું કરશો તો તમારી સહુને પ્રસન્ન કરવાની ઈચ્છા પૂરી થશે. તો ચિત્ત પ્રસન્નતા ઉત્પન્ન થાય, નહીં તો શી રીતે થાય ? ત્યારે આ છે તે વ્યભિચારિણી બુદ્ધિ જ છે ને ? સ્વાર્થી જ છે ને ? આખો દહાડો સ્વાર્થના હારુ લોકો ફરે છે ને ?

પ્રશ્નકર્તા : હા, સ્વાર્થને માટે જ ફરે છે.

દાદાશ્રી : આ કોર્ટમાં પરમાર્થ માટે આવતા હશે જજો બધા ? આખો દહાડો સ્વાર્થને ? થોડાઘણા માણસ, કો’ક હશે સેકડે અમુક માણસ.

પ્રશ્નકર્તા : બહુ ઓછા. બાકી પોતપોતાના સ્વાર્થમાં દરેક.

દાદાશ્રી : હા, પારકા હારુ જીવનારા કેટલા હશે ?

મોરલ એટલે બધે જ સિન્સિયર

સિન્સિયારિટી ને મોરાલિટી દરેકની સાથે સંબંધ ધરાવતી હોય છે. અને સિન્સિયારિટી તો અમુક લોકો જોડે જ સંબંધ ધરાવતી હોય. જેટલા માણસને સિન્સિયર રહે એટલાને રહે ને બીજાને ઈનસિન્સિયર હોય. અને મોરલ એટલે તો મોરલ ! મોરલની તો બહુ કિંમત. મોરલમાં સિન્સિયર તો છે જ પણ પેલું હૉલ (સંપૂર્ણ), આખીયે આ આલમને સિન્સિયર. મોરાલિટી એટલે કોઈ દુર્ગુણ જ નહીં. એટલે પછી આખા જગતને સિન્સિયર જ કહેવાય ને ! આ સિન્સિયર તો તમને પાંચ-પચાસ માણસને રહેતા હોય અને બીજાને ના રહેતો હોય. આ ધણી છે તે વાઈફ જોડે સિન્સિયર રહેતો હોય અને બીજાની જોડે ઝઘડા કરતો હોય. પણ એને સિન્સિયર તો કહેવાય જ ને ! ના કહેવાય, નહીં ? સિન્સિયર એટલે સિન્સિયર. તમને સમજ પડી ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : અને મોરલ એટલે તો એવરીવ્હેર (સર્વત્ર), એને માટે પૂછવાનું જ ના હોય ને ! પહેલો સિન્સિયર થાય તો મોરલમાં જાય. અને સિન્સિયર થયો ના હોય ને, તો મોરલમાં શી રીતે તે જાય ? કોઈનેય સાચા હૃદયથી સહેજ પણ એક્સેપ્ટ (સ્વીકાર) કરતો હોય તો એ મોરલમાં જાય. સમજાયું તમને ? તમને કયું ગમે ? મોરલ કે સિન્સિયર ? બોલો ને, શું કહે છે ?

પ્રશ્નકર્તા : મોરલ.

દાદાશ્રી : મોરલ, હા.

ગુણોમાં કિંમતી ગુણ મોરલ

સિન્સિયર ઓછો રહે તો ચાલે પણ મોરલ તો જોઈએ જ ને ! એક માણસ આખી દુનિયા જોડે ઈનસિન્સિયર રહેતો હોય પણ એની વાઈફ જોડે કમ્પ્લીટ સિન્સિયર રહેતો હોય તોય એ સિન્સિયર કહેવાય. એટલે સિન્સિયર બ્રેકેબલ (તૂટી જાય તેવું) છે એ ગુણ અને આ મોરલ તો બધે બાઉન્ડ (ચોક્કસ) છે, આમાં તો ચાલે નહીં. મોરલ એટલે મોરલ.

પ્રશ્નકર્તા : દાદા, એ સમજાયું નહીં, ફરીથી સમજણ પાડો.

દાદાશ્રી : મોરલ એટલે મોરલ. જેમ આ સ્ટોનમાં પ્રિશિયસ (કિંમતી) સ્ટોન હોય ને, એવું

(પા.૧૯)

આ ગુણોમાં પ્રિશિયસ ગુણ મોરલ. સિન્સિયારિટી બ્રેકેબલ હોય અને આ મોરલ તો અન્બ્રેકેબલ. કમ્પ્લીટ મોરલ એટલે તો એ ભગવાન થાય. એવી રીતે મોરાલિટી એ બધે જ ફેલાયલી હોય. એટલે મોરલ તરફ જવાની દ્રષ્ટિ રાખવી.

બુદ્ધિ ના થવા દે મોરલ

હવે બુદ્ધિ છે તે મોરલ થવા ના દે. બુદ્ધિ ગઈ એટલે મોરલ થઈ જ જાય.

પ્રશ્નકર્તા : એ બુદ્ધિ કેવી રીતે ડખો કરે એમાં, મોરાલિટીમાં ?

દાદાશ્રી : નફો દેખાડે એટલે ત્યાં જાઉં ને ? નફો છે નહીં ને દેખાડે નફો. પાછું આવડે બધું એને.

એ કોઈથી નીકળે નહીં. એટલે બુદ્ધિ બુઠ્ઠી છે કે ધારવાળી છે ? ધારવાળી બુદ્ધિ પોતે જે ઊંધું કર્યું હોય તેને ફરી ફરી વંછેરીને (વેરણછેરણ કરીને) કાઢી નાખે અને પેલો બુઠ્ઠી બુદ્ધિવાળો આખી રાત સુધી એમાં અટવાયા કરે.

એટલે સાચી બુદ્ધિ તો આપણને પોતાને જ ખબર આપે કે આ ભૂલ થઈ રહી છે અને આ ખોટી બુદ્ધિ વગર કામનું આખી રાત ભટકાય ભટકાય કરે. આને ‘વાંદરિયા બુદ્ધિ’ કહી છે. આખી રાત જાગે ને સવારમાં કશુંય નહીં, ઉજાગરો થયેલો હોય. આને બુદ્ધિ ના કહેવાય. બુદ્ધિની ધાર આપણને વાગે. આપણને તરત જ, વાપરે ત્યાર પહેલા જ સમજણ પડે કે આ તો વખત નકામો જાય છે, આ પાછી ક્યાં ઉપાધિ કરી ? મને તો મહીં ચિરાડો(ચીરો) થાય. મારી બુદ્ધિ એવી હતી બળી, ધારવાળી. એ લોહી નીકળે ફટ, અડતાંની સાથે.

તારે બુઠ્ઠી છે કે કેવી છે ?

પ્રશ્નકર્તા : હજુ તો બુઠ્ઠી છે, દાદા.

દાદાશ્રી : કોઈ વખત લોહી નીકળેય ખરું પાછું, નહીં ?

પ્રશ્નકર્તા : કોઈક વાર નીકળે, હા. દાદા, હવે આ બુઠ્ઠી બુદ્ધિને ધારવાળી બુદ્ધિ કેવી રીતે બનાવવાની ?

દાદાશ્રી : ખૂબ ઑનેસ્ટી ને એ બધું હોય, મોરાલિટી હોય, એની બુદ્ધિ બહુ સુંદર હોય. એ બુદ્ધિ તો આ સંસારના દુઃખોને ઉડાડી મેલે એવી હોય. જ્ઞાનીના જ્ઞાન જેવી હોય. અત્યારે આ બુદ્ધિ તો ઊલટું દુઃખ દે અને ફાયદો કશોય ના કરે. આને ફૂલિશ (મૂરખ)ની બુદ્ધિ કહેવાય છે. ફૂલિશનેય બુદ્ધિ તો હોય ને કે ના હોય ? એ ફૂલ્સ પેરેડાઈસ (ભ્રામક સુખ)માં રમે.

બુદ્ધિ તો બહુ ઉપકારી વસ્તુ છે પણ બુદ્ધિ એવી ધારવાળી હોવી જોઈએ. શાર્પ અૅજ્ડ (તીક્ષ્ણ ધારવાળી)હોવી જોઈએ. આ બુદ્ધિ તો મોડે સુધી ચાલે ને, તો આપણને બુદ્ધુ બનાવે. એટલે પછી સૂઈ તો જવું જ પડે ને ? સરવાળો જડે નહીં, એક પણ આંકડો મળે નહીં. પછી થાકીને સૂઈ જવું પડે, એનો અર્થ શું છે ? આને બુદ્ધિ કેમ કહેવાય ? એ તો આપણા મનમાં માનીએ એટલું જ. બુદ્ધિ તો કેવી હોય તે ? આરપાર નીકળી જાય.

તીક્ષ્ણ બુદ્ધિ મીટાવે મતભેદ

આ બધું ભોગવડાવે છે બુદ્ધિ. ખાંડણિયામાં ઘાલીને ખાંડ ખાંડ કરે પછી. એક માણસ મને કહે છે, ‘આ મારી આટલી સરસ બુદ્ધિ, વેપાર-સંસારમાં આટલી બધી સરસ ચાલે છે પણ મને બુદ્ધિ કેમ હેરાન કરે છે ?’ મેં કહ્યું, ‘ખાંડે છે ?’ ત્યારે કહે, ‘હા, હા.’ ત્યારે મેં કહ્યું, ‘એ જ ફૂલિશની બુદ્ધિ, મૂઆ.’ એ તું શું કરવા સાચું માની બેઠો છે ? આ તો સંઘરીશ જ નહીં. આ ફૂલિશની બુદ્ધિ ! ફૂલિશેય બુદ્ધિશાળી તો હોય જ ને ? ફૂલિશ બુદ્ધિશાળી ના હોય એવું બને નહીં ને ?

(પા.૨૦)

પ્રશ્નકર્તા : બીજે વપરાયેલી હોય, ખોટી જગ્યાએ એનો...?

દાદાશ્રી : ના, સાચી બુદ્ધિ તો, એ તીક્ષ્ણ ધારવાળી બુદ્ધિ છે ને, તે તો ઘરમાંથી બધો ક્લેશ કાઢી નાખે, મતભેદોનું નિવારણ લાવે.

પ્રશ્નકર્તા : હા, તીક્ષ્ણ બુદ્ધિ એટલે સાચી ?

દાદાશ્રી : હા, તીક્ષ્ણ ધારવાળી. બાકી બધા મતભેદો હોય અને એ બધી વૃત્તિઓ તો ફૂલિશ. એ તો છે જ ને વળી.

હવે તારા મતભેદોનું નિવારણ થાય છે ને ?

પ્રશ્નકર્તા : આજે મોટામાં મોટું થયું, દાદા. બે વસ્તુ સમજાઈ. તમે એક વસ્તુ કહીને કે બીજાની ભૂલ કાઢવાની બાબત, તે એ લોકોને ખબર તો હોય છે છતાં પણ ભૂલ કાઢે લોકો, એ મોટો ગુનો કહેવાય.

દાદાશ્રી : હા, એ જે ભૂલને જાણે છે એ ભૂલ આપણે કહીએ એનો અર્થ જ શું ? એ ભૂલ ના જાણતો હોય તે ભૂલ બતાવીએ તો એ ઉપકાર માને. હવે ઘરમાં આ બધા ડખા જ તેના છે ને ! પેલી બઈ જાણે કે આ કાળમુખો બધે ગા ગા જ કર્યા કરે છે. કઢી ખારી છે, તે હું ના જાણું , કહે છે. મૂઓ આવું ને આવું ગા ગા કર્યા કરે. એ આમ થઈ ગયું ને તેમ થઈ ગયું.

પ્રશ્નકર્તા : ને બીજું એ કે આપણે બુદ્ધિ મોરાલિટી પર ચલાવવાની ને પ્રોફિટ એન્ડ લૉસ (નફા ને નુકસાન) પર નહીં, તે આ બે વસ્તુ.

દાદાશ્રી : હા, ખરું સમજી ગયા.

પ્રશ્નકર્તા : તમે જે તીક્ષ્ણ બુદ્ધિની વાત કરીને, કે મોરાલિટી જ્યારે બહુ થાય ત્યારે એમાંથી તીક્ષ્ણ બુદ્ધિ થાય.

દાદાશ્રી : હં, મોરાલિટી જેમ જેમ ઉત્પન્ન થાય ને એમ તીક્ષ્ણતા વધતી જાય. અને આ બીજું પ્રમાણિકપણું એ બહુ હોય ત્યારે બુદ્ધિ તીક્ષ્ણ થાય.

મોરાલિટીમાં સમાય સર્વ ગુણો

પ્રશ્નકર્તા : મોરાલિટીથી બુદ્ધિ તીક્ષ્ણ થાય ?

દાદાશ્રી : હં, બહુ તેજ થાય.

પ્રશ્નકર્તા : તો એ મોરાલિટીની પ્રેક્ટિસ કેવી રીતે કરવાની ? જીવન કઈ રીતે જીવવું ?

દાદાશ્રી : કંઈ પણ છે તે કોઈને નુકસાન ના થાય એવી બધી નીતિમત્તા, ઑનેસ્ટ. બીજા બધાય ગુણો આવી જાય મોરાલિટીમાં. જેમ કહે છે ને, ‘ઑનેસ્ટી ઈઝ ધ પોલિસી.’ (પ્રામાણિકતા એ શ્રેષ્ઠ નીતિ છે.) એ જ બહુ ઉત્તમમાં ઉત્તમ છે, બસ.

અને મોરલમાં તો પાછા દુનિયામાં જેટલા જેટલા ગુણ-અવગુણ છે, એ બધામાંથી એક પણ અવગુણ ના હોય ત્યારે એ મોરલ. મોરલ બાઈન્ડિંગ કહેવાય !

પ્રશ્નકર્તા : કેટલું બધું અઘરું છે ?

દાદાશ્રી : ના, પણ આપણે જેટલા ગુણો હોય એટલા ગુણોથી તો મોરલ બાઈન્ડિંગ છે. બીજા બધા ગુણોની અત્યારે જરૂર નથી અને અઘરું શાનું ? બે અવતારમાં તો થઈ જાય. બધું પૂરું થઈ જાય ત્યારે.

થાઓ મોરલ જ્ઞાની સંગે

મોરલ થયા પછી તો મોક્ષે જવાય.

પ્રશ્નકર્તા : એટલે શક્તિ માગ્યા કરવાની મોરલ થવાની ?

દાદાશ્રી : હવે તો ઝપાટાબંધ થવા માંડશે, જેમ જેમ દેવું ઘટશે ત્યારે !

પ્રશ્નકર્તા : દાદા, અમારે ઉપર ચઢવું છે, પણ અંધારું છે તો શક્તિ આપો કે અજવાળું થાય.

દાદાશ્રી : હા, એ ખરું, એ શક્તિ આપ્યા કરીએ છીએ. તમે આવ્યા કરો ને ! અમે અહીં છીએ એટલા દહાડા લાભ લ્યો પૂરોપૂરો. એટલે તમે આ લાભ ઊઠાવી લો ને, તો કામ કાઢી નાખશે. માટે એક અવતાર સિન્સિયર રહો ને દાદાને !

જય સચ્ચિદાનંદ