સૂત્રોમાં પરોવાઈ ‘બ્રહ્મચર્ય’ની સમજ

સંપાદકીય

અનંત અવતારથી જીવ અબ્રહ્મચર્યના વિષય રૂપી કીચડમાં અલ્પસુખની લાલચે લબદાયો, ખરડાયો ને ઊંડો ગરક્યો છતાં એમાંથી બહાર નીકળવાનું મન થતું નથી. એય અજાયબી છે ને ! અને કેટલાક ખરેખર આ કીચડમાંથી બહાર નીકળવા માંગે છે, પણ માર્ગ નહીં મળવાને કારણે પરાણે ફસાઈ પડ્યા છે ! આ વિષય રોગ ‘આત્મજ્ઞાન’ વિના સર્વાંશે નિર્મૂળ થાય જ શી રીતે ? એ તો પ્રત્યક્ષ ‘જ્ઞાની પુરુષ’ ભેટે અને તેમના થકી સંપ્રાપ્ત ‘આત્મજ્ઞાને’ કરીને જ આ વિષય-ઘડભાંજનો અંત આવે !

તમામ શાસ્ત્રોએ આત્મસ્વરૂપની સંપૂર્ણ અનુભૂતિના દ્વારે પહોંચવા કાજે ‘સર્વ સંગ પરિત્યાગ’ની અનિવાર્યતા સૂચવી છે પણ આ ‘અક્રમ વિજ્ઞાને’ એક નવો જ અભિગમ સર્જ્યો છે કે પોતાની પરણિત સ્ત્રીનો સંગ-પ્રસંગ હોવા છતાં પણ અસંગ આત્મઅનુભવ કરી શકાય તેમ છે ! જેમને પણ બ્રહ્મચર્ય સિદ્ધ કરવું હોય તે પુરુષાર્થ ને પરાક્રમ દ્વારા મોક્ષમાર્ગે જાગૃતિની પરાકાષ્ઠાએ ‘અક્રમ વિજ્ઞાન’ની ઊંડી સમજ થકી પહોંચી શકે તેમ છે !

પરમ પૂજ્ય દાદાશ્રી થકી પ્રગટ થયેલ ‘અક્રમ વિજ્ઞાન’ પરિણીતોને વિષયને છોડી દો એમ કહેતું નથી, પરંતુ નિર્વિકાર-અનાસક્ત સ્વભાવી આત્મસ્વરૂપ પ્રત્યેની દ્રષ્ટિ પ્રાપ્ત થવાથી પરિણામે ‘પોતાને’ વિષયથી વિરક્ત બનાવી સ્વની રમણતા કરાવે છે ! અર્થાત વિષય છોડવાના નથી પણ વિષય-વિષયીથી પોતે છુટા પડી જવાનું છે. ટૂંકો ને ટચ, સહેલો ને સરળ માર્ગ આ કળિકાળે પુણ્યશાળી જીવો માટે છેલ્લી તારક ‘લિફ્ટ’ રૂપે ઉદયમાં આવ્યો છે.

પ્રસ્તુત અંકમાં વિષયના સ્વરૂપને સમજીને છેદવા માટે એક નવા અભિગમથી દાદાશ્રીની વાણીનું સંકલન થયેલ છે. જેમાં વિષયને નિર્મૂળ કરવાની સમજણ કેળવવા અમુક આપ્તસૂત્રના મણકાની માળા બનાવી છે. આપ્ત એટલે શું ? સંસારમાં ને ઠેઠ મોક્ષે જતાં સુધી સર્વ રીતે વિશ્વાસ કરવા યોગ્ય ! અને શાસ્ત્રોમાં સૂત્ર એટલે શું ? ‘સો મણ સૂતરમાં એક વાલ સોનું ગૂંથીએ ને પછી પાછું તેમાંથી શુદ્ધ સોનું કાઢવું તે.’ જ્યારે અહીં સૂત્રરૂપે ગૂંથાયેલી આ વાણી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાષાની સીમાથી પર છે. જ્ઞાનીના પ્રત્યેક શબ્દ, મુદ્રા, ચેષ્ટાઓમાં અદ્ભુત રહસ્ય રહેલું છે. તેને વારંવાર અવગાહ્વા શ્રીમદ્ રાજચંદ્રે જણાવ્યું છે. જ્ઞાનીનું દરેક વાક્ય શાસ્ત્ર છે અને તે સૂત્ર એટલે ‘ટૂંકમાં ઘણું’ સીધું સોનું જ સમાયેલું હોય તેમ સમજવું. એ રીતે દાદાશ્રીના વિષયથી વિરક્ત થવાના સૂત્ર અત્રે સંકલિત થયા છે. સૂત્ર સાથે એ સૂત્રને સંબંધિત દાદાશ્રીની વાણીનું મંથન કરી મહાત્માઓ ઊંડાણપૂર્વક તેનું અવગાહન કરી વિષયના સુખની બિલીફને છેદી પોતાના સનાતન સુખને અનુભવે એવી અભ્યર્થના.

જય સચ્ચિદાનંદ.

સૂત્રોમાં પરોવાઈ ‘બ્રહ્મચર્ય’ની સમજ

(પા.૪)

(આપ્તસૂત્ર - ૬૬૮)

વિષયો કોને કહેવાય ? જેમાં મન-વચન-કાયાનું એકાકારપણું થાય તે. અને મન-વચન-કાયામાં એકાકાર ના થયો તે ‘નિર્વિષય’!

વિષય કોને કહેવાય ? જે જે બાબતમાં મન પ્રફુલ્લિત થાય, તે વિષય છે. મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકાર જેમાં જેમાં તન્મયાકાર થાય, તે વિષય છે. એકાકાર જ્યાં થાય, તે વિષય છે. વિષયોના વિચાર આવે તે સ્વાભાવિક છે. એ પરમાણુનું ગલન છે. પૂર્વે કરેલા પૂરણનું જ ગલન છે. પણ તેમાં તું તન્મયાકાર થયો, એમાં તને ટેસ્ટ લાગ્યો, તે વિષય છે. તે નુકસાનકર્તા છે.

બે પ્રકારના વિષય : એક વિષય અને બીજો નિર્વિષય વિષય.

વિષય શાનું નામ ગણાય ? બિગિનિંગ (શરૂઆત)માંય ગમે અને એન્ડ (અંત)માંય ગમે, એનું નામ વિષય ! વિષય એ વસ્તુ નથી પણ એ તો પરમાણુનો ફોર્સ છે. જે જે પરમાણુને તેં અત્યંત ભાવે કરીને, તન્મય થઈને ખેંચ્યા, તેનું ગલન થાય ત્યારે પાછો તું તેટલો જ તન્મયાકાર થાય તે વિષય છે. પછી તે ગમે તે સબ્જેક્ટ હોય, એમાં જ રચ્યોપચ્યો રહે છે તે બધા જ વિષય છે. જેણે તપનો વિષય લીધો, ત્યાગનો વિષય લીધો ને તેમાં જ એકાકાર રહ્યા તેય વિષય છે. અલ્યા, વિષયો લઈ વિષયી બનીને મોક્ષ શી રીતે થશે ? નિર્વિષયી થા તો મોક્ષ થશે.

વિષય એવી વસ્તુ છે કે જો એમાં એકાગ્રતા થાય તો આત્મા ભૂલે. એટલે આ ગાંઠ આમ નુકસાનકારક છે, તે એટલા જ માટે કે એ ગાંઠ ફૂટે ત્યારે એકાગ્રતા થઈ જાય છે. એકાગ્રતા થાય એટલે વિષય કહેવાય. એકાગ્રતા થયા વગર વિષય કહેવાય જ નહીં ને ! એ ગાંઠ ફૂટે ત્યારે એટલી બધી જાગૃતિ રહેવી જોઈએ કે વિચાર ઊભો થતાંની સાથે ઉખેડીને ફેંકી દે, તો એને ત્યાં એકાગ્રતા ના થાય. જો એકાગ્રતા નથી તો ત્યાં વિષય જ નથી, તો એ ગાંઠ કહેવાય અને એ ગાંઠ ઓગળશે ત્યારે કામ થશે.

નિર્વિષય વિષય કોને કહ્યો છે ? આ જગતમાં નિર્વિષયી વિષયો છે. આ શરીરને જરૂરિયાત માટે જે કંઈ દાળ-ભાત-શાક-રોટલી, જે ભેગું થાય તે ખાવ. એ વિષય નથી. વિષય ક્યારે કહેવાય ? તમે લુબ્ધમાન થાવ ત્યારે વિષય કહેવાય છે, નહીં તો એ વિષય નથી, એ નિર્વિષય વિષય છે. એટલે આ જગતમાં આંખે દેખાય તે બધું જ વિષય નથી, લુબ્ધમાન થાય તો જ વિષય છે.

જે વિષયમાં ધ્યાન ના હોય, બિલકુલ લક્ષ જ ના હોય, એનું નામ નિર્વિષય વિષય.

સાચું સુખ મળ્યું નથી એટલે આ બધા વિષયો ભોગવે છે, નહીં તો વિષયો શા માટે ભોગવે ? આત્મા વિષયી છે જ નહીં, આત્મા નિર્વિષયી છે. પણ આ તો કર્મોના પ્રતાપથી દુઃખ થાય છે. એ સહન નહીં થવાથી આવું બધું ગટરમાં હાથ ઘાલે છે. ગટરમાં મોઢું ઘાલીને ગટર પીએ છે. તમને જ્ઞાન હતું નહીં એટલે સહન થતું ન હતું. હવે આ જ્ઞાન આપ્યું છે એટલે તમને સહન કરવાની શક્તિ ઉત્પન્ન થઈ છે. તમને જુદાપણાનો ભાવ રહી શકે છે. તો પછી શેને માટે વિષયો હોવા જોઈએ ? અને છતાંય પરિણામ કોઈ બદલી ના શકે. કારણ કે એ પુદ્ગલ પરિણામ છે, અને એ તો રિઝલ્ટ છે. રિઝલ્ટ બદલી ના શકાય, પણ રિઝલ્ટ ઉપર ખેદ, ખેદ ને ખેદ રહ્યો એટલે તમે છૂટા. તમને જો ખેદ છે, તો તમે છૂટા છો અને રિઝલ્ટમાં એકાકાર છો તો બંધન છે.

જેને જે વિષયમાં ધ્યાન હોય તેમાં તે બહુ જ

(પા.૭)

ચોક્કસ, તેમાં તો વિશેષ હોય જ. લોક પોતપોતાના વિષયમાં જ મસ્ત હોય છે અને ત્યાં જ તેઓ બાઘા જેવા દેખાતા હોય છે. કારણ કે તેમાં જ તન્મયાકાર થયા છે. આત્મા નિર્વિષયી છે. આખું જગત વિષયોથી ભરેલું છે, તેમાં જેને જે વિષયો પસંદ આવ્યા તેની જ આરાધના કરવા માંડી છે. દા.ત. તપસ્વીઓએ તપનો વિષય પસંદ કર્યો, ત્યાગીએ ત્યાગનો, વ્યાખ્યાનકારોએ વ્યાખ્યાનનો અને સંસારીઓએ સંસારના વિષયોની આરાધના કરવા માંડી છે, ને પાછા કહે છે કે પુરુષાર્થ કરીએ છીએ ! જ્ઞાનીને પૂછ તો ખરો કે પુરુષાર્થ છે કે શું છે ? મૂઓ, ફરજિયાતને મરજિયાત માની બેઠો છે ! મૂઆ, આરાધના વિષયોની કરો છો અને ખોળો છો નિર્વિષયીને (આત્માને) ! અલ્યા, ક્યારેય પાર નહીં આવે ! તેં જે જે કંઈ કર્યું ને તેમાં અહંકાર કર્યો, તન્મય થયો, એબવ નોર્મલ થયો, તે બધા જ વિષય છે.

(આપ્તસૂત્ર - ૬૬૭)

અવસ્થામાં ‘એબોવ નોર્મલ’ થાય કે ‘બિલો નોર્મલ’ થાય તે વિષય કહેવાય.

લોક વિષય માટે નથી જીવતા પણ વિષયના અહંકારને પોષવા જીવે છે.

જે જે વિષયનો અહંકાર લાવ્યો છે તેના પરમાણુ દેહમાં છે. અમે અમારા મહાત્માઓના વિષયોના અહંકારને કાઢી નાખ્યો છે, છતાં પહેલાંના પરમાણુ ભરાયેલા છે તે ફળ આપીને જતા રહેશે. જે જે વિષયનો અહંકાર ભરેલો, તે તે વિષય સામો આવશે. જે જે વિષયનો અહંકાર નિર્મૂળ થયો છે, તે તે વિષયો નહીં આવે. જ્યારે બાહ્ય અહંકાર સંપૂર્ણ નિર્મૂળ થશે અને પરમાણુ પણ ફળ આપીને ચાલ્યા જશે, ત્યારે દેહ જતો રહેશે. પરમાણુ એ પરમાણુનો સમભાવે નિકાલ થશે, ત્યારે આ દેહનો પણ મોક્ષ થશે ! જગતના રિલેટિવ ધર્મો અબંધને વિશે બંધ માને છે અને જેનાથી જેને બંધ થાય છે તેનું તેમને ભાન જ નથી. આ સૂક્ષ્મ વાક્ય છે. એને સમજવું અઘરું છે. આખું જગત વિષયોનું જ્ઞાન જાણે છે. જે વિષય ભણ્યો તેનું જ્ઞાન જાણે છે. મૂઆ, જે વિષય ભણ્યો તેનો જ વિષયી થયો. આ તો રિલેટિવ ધર્મોમાં પાંચ જ વિષય જણાવ્યા છે, પણ વિષયો તો અનંત છે. એબ્નોર્મલ એટલે કે એબવ નોર્મલ કે બિલો નોર્મલ થયો, એટલે વિષયી થયો. વિષયી થયો એટલે ‘જગત જ્ઞાન’માં પડ્યો કહેવાય, ‘આત્મજ્ઞાન’ ત્યાં ના હોય.

બધા વિષયો વેદના શમાવવાના ઉપાય છે, ત્યારે આ લોકોને તેનો શોખ થઈ ગયો. ત્યાં ‘લિમિટ’ (મર્યાદા)માં રહેજે, શોખીન ના થઈ જઈશ. ‘નોર્માલિટી’ ખોળી કાઢો.

‘અમારી’ એક ઈચ્છા છે કે જગત મોક્ષમાર્ગ ભણી વળે, જગત મોક્ષમાર્ગને પામે ! મોક્ષમાર્ગમાં વળ્યો કોને કહેવાય ? મોક્ષમાર્ગ છે, એમાં એકાદ માઈલ ચાલે ત્યારે. અત્યારે આ ધર્મો છે એ વીતરાગ માર્ગ પર નથી. વીતરાગ માર્ગ ઉપર કોને કહેવાય ? નોર્મલ ઉપર આવે તેને. એબોવ નોર્મલ ઈઝ ધી ફીવર, બીલો નોર્મલ ઈઝ ધી ફીવર. ૯૭^ ઈઝ ધી બિલો નોર્મલ ફીવર એન્ડ ૯૯ ડીગ્રી ઈઝ ધી એબોવ નોર્મલ ફીવર. ૯૮ ડીગ્રી ઈઝ નોર્માલિટી ! આ વાત તો ડૉક્ટરો એકલા લઈને બેઠા છે, પણ એ તો બધાને માટે હોય ! ઊંઘવામાં, ખાવામાં, પીવામાં, બધામાં નોર્માલિટી જોઈશે, એ જ વીતરાગ માર્ગ છે. અત્યારે તો બધે એબોવ નોર્મલ હવા ઊભી થઈ ગઈ છે, તે બધે પોઈઝન ફરી વળ્યું છે. એમાં કોઈનો વાંક નથી, સૌ કાળચક્કરમાં ફસાઈ ગયા છે ! વીતરાગ માર્ગ એટલે બધામાં નોર્માલિટી ઉપર આવો.

(આપ્તસૂત્ર - ૨૨૯૨)

વિષય એ તો ઉઘાડી પરવશતા છે!

આ કરોળિયો જાળું વીંટે, પછી પોતે મહીં

(પા.૮)

પૂરાય, એવી રીતે આ સંસારનું જાળું પોતે જ ઊભું કરેલું છે. ગયા અવતારે પોતે માંગણી કરી હતી. બુદ્ધિના આશયમાં આપણે ટેન્ડર ભર્યું હતું કે એક સ્ત્રી તો જોઈશે જ. પછી બે-ત્રણ રૂમ હશે, એકાદ છોકરો ને એકાદ છોકરી, નોકરી એટલું જોઈશે. તેને બદલે વાઈફ તો આપી તે આપી, પણ સાસુ-સસરો, સાળો-સાળાવેલી, માસી સાસુ, કાકી સાસુ, ફોઈ સાસુ, મામી સાસુ... હેય ફસામણ, ફસામણ ! આટલી બધી ફસામણ જોડે આવશે એવી ખબર હોત તો આ માંગણી જ ના કરત બળી ! આપણે તો ટેન્ડર ભર્યું હતું વાઈફ એકલીનું, તે આ બધું શું કરવા આપ્યું ? ત્યારે કુદરત કહે છે, ‘ભઈ, એ એકલું તો ના અપાય, મામી સાસુ, ફોઈ સાસુ એ બધું આપવું પડે. તમને ત્યાર વગર ગમે નહીં. આ તો લંગર બધું હોય ત્યારે જ બરાબર મઝા આવે ! એક આટલું લેવા જઈએ ત્યાર હોરું કેટલી વળગાડ ! કેટલી બધી પરવશતાઓ ! એ પરવશતા પાછી સહન થાય નહીં.

પ્રશ્નકર્તા : આ મન-વચન-કાયાના જ લફરા ગમતા નથી ને હવે!

દાદાશ્રી : આમાં તો છ ભાગીદાર છે. પૈણ્યા એટલે એમાં પાછા બીજા છની ભાગીદારી, એટલે બાર ભાગીદારોનું કોર્પોરેશન ઊભું થયું પાછું. છમાં તો કેટલી બધી લઢવાડો ચાલે જ છે, ત્યાં પાછી બારની લઢવાડો ઊભી થાય ! પછી દરેક છોકરે છોકરે નવા છ ભાગીદારો પાછા મહીં ઉમેરાય. એટલે કેટલી ફસામણ ઊભી થઈ જાય !

બ્રહ્મચર્ય એ તો બહુ સારી વસ્તુ છે. એ જો ઉદયમાં આવ્યું તો, એના જેવું બીજું કોઈ પદ જ નથી ! આ ‘ફાઈલો’ તો પરવશતા લાવે. કારણ કે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ બન્નેના જુદાં જ હોય ને ?

પ્રશ્નકર્તા : મારા વિચારો બ્રહ્મચર્ય લેવાના છે ને એનો એવો વિચાર નથી, તેથી એ એવી બગડી છે ને !

દાદાશ્રી : એ જ પરવશતા ને ! કેટલી બધી પરવશતા !

પ્રશ્નકર્તા : અને એને તો ઊલટું આશ્ચર્ય લાગે છે કે તમને મારા પર આકર્ષણ કેમ થતું નથી ?

દાદાશ્રી : એને એમ કહેવું કે તું આમ સંડાસમાં અંદર જાય છે, તોય મને બહાર રહીને દેખાય છે એટલે આકર્ષણ થતું નથી.

પ્રશ્નકર્તા : તો તો એ ભડકી જાય.

દાદાશ્રી : નહીં, પણ એને સમજણ પડે કે સંડાસ જઉં એવું દેખાય તો આકર્ષણ જ કેમ થાય ? એ કેવું ખરાબ દેખાય ! પણ આય બોમ્બ ફાટે એવું થઈ જાય ને ? તો આમેય ફસામણ થઈ ગઈ ને ? લક્કડકા લાડુ ખાયા વો ભી પસ્તાયા, નહીં ખાયા વો ભી પસ્તાયા.

વિષયમાં સુખ કરતાં વિષયથી પરવશતાના દુઃખ વિશેષ છે એવું જ્યારે સમજાય, ત્યારે પછી વિષયનો મોહ છૂટે અને તો જ સ્ત્રી જાતિ પર પ્રભાવ પાડી શકે અને એ પ્રભાવ ત્યાર પછી નિરંતર પ્રતાપમાં પરિણમે. નહીં તો આ જગતમાં મોટા મોટા મહાન પુરુષોએ પણ સ્ત્રી જાતિથી માર ખાધેલો. વીતરાગો જ વાતને સમજી ગયેલા ! એટલે એમના પ્રતાપથી જ સ્ત્રીઓ દૂર રહેતી ! નહીં તો સ્ત્રી જાતિ તો એવી છે કે ગમે તે પુરુષને જોતજોતામાં લટ્ટુ બનાવી દે, એવી એ શક્તિ ધરાવે છે. એને જ સ્ત્રી ચરિત્ર કહ્યું ને ! સ્ત્રીથી તો છેટા જ રહેવું. એને કોઈ પણ પ્રકારના ઘાટમાં ના લેવી, નહીં તો તમે પોતે જ એના ઘાટમાં આવી જશો. અને આની આ જ ભાંજગડ કેટલાંય અવતારથી થઈ છે ને !

(પા.૯)

મોક્ષની ઈચ્છા તો બધી બહુ છે પણ મોક્ષનો રસ્તો મળતો નથી. એટલે અનંત અવતારથી રઝળપાટ જ કર્યો છે અને અવલંબન વગર જીવાતું નથી. એટલે સ્ત્રી જોઈએ છે, બધું જોઈએ છે. પૈણે છે, તેય આધાર ખોળે છે. તેથી પૈણે છે ને ! માણસ નિરાધાર રહી શકે નહીં ને ! નિરાલંબ રહી શકે નહીં ને ! જ્ઞાની પુરુષ સિવાય બીજું કોઈ નિરાલંબ રહી શકે નહીં, અવલંબન ખોળે જ કશું !

(આપ્તસૂત્ર - ૩૬૧૨)

વિષયની ચંચળતા એ જ અનંત અવતારના દુઃખનું મૂળિયું છે.

આપણે અહીં ચા પીતો હોય, ખાતો હોય, બધું કરતો હોય તોય બહાર ધર્મધ્યાન રહે અને અંદર શુક્લધ્યાન રહે. કોઈકને જ નિકાચિત કર્મવાળો હોય તેનું જ મન વિકારી થાય, ત્યારે એ લપસ્યો કહેવાય. નિકાચિત કર્મવાળો કો’ક હોય આમાં. તેને વિકારી વિચાર આવે. એ ચંચળતાવાળો હોય, ચંચળ થઈ ગયેલો હોય. ચંચળ તમને ઓળખાય કે ના ઓળખાય ? આમ જોતો હોય, તેમ જોતો હોય. એને કહીએ કે ‘ભઈ, કેમ આમ થઈ ગયો બા ?’ ત્યારે કહે કે ‘વિકારી વિચાર આવ્યો એટલે ચંચળ થઈ ગયો.’ એટલે ધર્મધ્યાન અને શુકલધ્યાન બેઉ જાય.

આવા નિકાચિત કર્મવાળાએ અમને પૂછવું કે અમારે શું કરવું ? હવે શી દવા ચોપડવી ? બહુ ઊંડા ઘા પડી જાય. એવા કર્મવાળા હોય તો અમને પૂછવામાં વાંધો નહીં. એ ખાનગીમાં પૂછે એટલે અમે કહી દઈએ ને દવા બતાવી દઈએ કે આમ દવા ચોપડજે, એટલે ઘા રુઝાઈ જાય.

પ્રશ્નકર્તા : મન બગડે એટલે તો પોતાને ખબર પડે ને ?

દાદાશ્રી : મન બગડે, વિચારો બગડે તો તને ખબર પડે, પણ દેહ ચંચળ થયો હોય તે આમ ખબર ના પડે. દેહ ચંચળ થઈ જાય છે. એ તો એની સામું જોવાની શક્તિ હોવી જોઈએ. સંડાસમાં એનો દેખાવ જોઈ લેવો જોઈએ. એ કડક જ રહેવું જોઈએ. આ તો સુંવાળું લાગે. એકદમ કડક અગ્નિ જાણીને છેટું રહેવું પડે.

પ્રશ્નકર્તા : અમુક વાર દાદા ઊંધી સાઈડનો કોન્ફિડન્સ (આત્મવિશ્વાસ) વધારે થઈ જાય છે.

દાદાશ્રી : એમાં દાનતચોર હોય છે. કડક ના થાય તો જાણવું કે અહીં કાચું છે હજુ. જેનાથી પોતાને નુકસાન થાય. એનાથી જો છેટો ના રહે ને, તો મૂર્ખો જ કહેવાય ને ! અને આ તો અધોગતિ કહેવાય. આ ભૂલને ના ચલાવી લેવાય. વિષય-વિકાર ને મરણ બેઉ સરખું જ છે.

સહેજે ચંચળતા ઉત્પન્ન થવી જ ના જોઈએ. વિષયની ચંચળતા એ જ અનંત અવતારનું દુઃખનું મૂળિયું છે. દહાડે દહાડે દુઃખો જ ઊભા થયા કરે, નહીં તો આત્મા પ્રાપ્ત થયા પછી દુઃખ કેમ ઊભું થાય ? આ તો ભયંકર દોષ કહેવાય. નહીં તો દુઃખ હોય તો જતું રહે ને સુખ આવે. બધી સારી વસ્તુ ઊભી થાય. આત્મા પ્રાપ્ત થયો એટલે બધી સગવડ સરળ હોય, પદ્ધતિસર હોય. એમ ને એમ ગપ્પું ચાલે નહીં ને ! આ તો વીતરાગોનું વિજ્ઞાન છે.

(આપ્તસૂત્ર - ૬૭૦)

‘આ સ્ત્રી છે’ એમ જે જુએ છે, તે પુરુષનો રોગ છે અને ‘આ પુરુષ છે’ એવું જે જુએ છે, તે સ્ત્રીનો રોગ છે. નિરોગી થાય તો મોક્ષ છે.

આ જગતમાં સ્ત્રીને પુરુષનું અને પુરુષને સ્ત્રીનું એટ્રેકશન (આકર્ષણ) અમુક ઉંમર સુધી રહ્યા જ કરે. તે જોવાથી જ કૉઝિઝ (કારણ) ઉત્પન્ન થાય. લોક કહે કે જોવાથી શું થાય ? અલ્યા, જોવાથી તો નર્યા કૉઝિઝ ઉત્પન્ન થાય જ, પણ જો (આત્મ) ‘દ્રષ્ટિ’ આપી હોય તો જોવાથી કૉઝિઝ ઉત્પન્ન ના થાય. જગત આખું વ્યુપોઈન્ટથી જુએ છે, જ્યારે જ્ઞાની જ ‘ફૂલ’ (પૂર્ણ) દ્રષ્ટિથી જુએ છે.

(પા.૧૦)

આ લોક તો શું કહે છે કે મને સ્ત્રી માટેના ખરાબ વિચાર આવે છે. અલ્યા ! તું જોઉં છું ત્યારે જ ફિલમ પડી જાય છે. એનું પછી રૂપકમાં આવે છે, ત્યારે હવે એની બૂમો પાડે છે કે આમ કેમ થાય છે ? ફિલમ એ કૉઝિઝ છે અને રૂપક એ ઈફેક્ટ (પરિણામ) છે. અમને કૉઝિઝ જ ના પડે. જેને કૉઝિઝ જ ના પડે એને ‘દેહધારી પરમાત્મા’ જ કહેવાય. સ્ત્રી એ તો એક જાતની આત્મા ઉપર ઈફેક્ટ છે. સ્ત્રી એ ઈફેક્ટ છે, પુરુષ એ ઈફેક્ટ છે. આની ઈફેક્ટ આપણી ઉપર ના પડે ત્યારે ખરું. હવે સ્ત્રીને આત્મા રૂપે જુઓ, પુદ્ગલને શું જોવાનું ? આ કેરીઓ રૂપાળી પણ હોય અને સડી પણ જાય, તેમાં શું જોવાનું ? જે સડે નહીં, કહોવાય નહીં તે આત્મા છે, તેને જોવાનો છે. અમને તો સ્ત્રી ભાવ, પુરુષ ભાવ જ નહીં. અમે એ બજારમાં જ પેસવાના નહીં.

‘આ સ્ત્રી છે’ એમ જુએ છે, એ પુરુષનો મહીં રોગ હોય તો જ સ્ત્રી દેખાય, નહીં તો આત્મા જ દેખાય અને ‘આ પુરુષ છે’ એમ જુએ છે, એ એનો સ્ત્રીનો રોગ છે. નિરોગી થાય તો મોક્ષ થાય. અત્યારે અમારી નિરોગી અવસ્થા છે. તે મને એવો વિચાર જ ના આવે. ફક્ત ખોખાં જુદાં છે એવું રહે, એ સ્વાભાવિક છે, પણ એવું લક્ષ રહે કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે, એવી બધી ભાંજગડ નહીં. એ તો મહીં એ રોગ હોય ત્યાં સુધી જ એવું દેખાડે છે. જ્યાં સુધી એ રોગ છે, ત્યાં સુધી આપણે પરેજીમાં શું કરવું જોઈએ ? ઉપયોગ જાગૃત રાખવો. આવું દેખાય કે તરત જ શુદ્ધાત્મા જુઓ. આ ભૂલ ખવડાવી એને ‘દેખત ભૂલી’ કહેવાય છે. પુરુષને પુરુષનો રોગ ના હોય તો ‘આ સ્ત્રી છે’ એવું ના દેખાય અને સ્ત્રીને સ્ત્રીનો રોગ ના હોય તો ‘આ પુરુષ છે’ એવું ના દેખાય. બધામાં આત્મા દેખાય.

પ્રશ્નકર્તા : એટલી બધી જાગૃતિ ના રહે ને ?

દાદાશ્રી : જાગૃતિ ના રહે તો માર જ ખાવાનો. આ બ્રહ્મચર્ય તો જેને બહુ જાગૃતિ રહે તેને કામનું.

ક્રમિક માર્ગમાં તો સ્ત્રીને પાસે રાખે જ નહીં. કારણ કે એ મહાન જોખમ છે. સ્ત્રી એ પુરુષને માટે જોખમ છે અને પુરુષ એ સ્ત્રીને માટે જોખમ છે. પણ હું કહું છું કે આમાં સ્ત્રીનો દોષ નથી. સ્ત્રી તો આત્મા છે, દોષ તારા સ્વભાવનો છે.

(આપ્તસૂત્ર - ૩૬૨૬)

જ્યાં આકર્ષણ થયું, આકર્ષણમાં તન્મયાકાર થયો ત્યાં ચોંટ્યો. આકર્ષણ થયું તેનો વાંધો નહીં, પણ તન્મયાકાર ના થયો એ જીત્યો.

આપણે આકર્ષણ ના કરવું હોય તોય આંખ ખેંચાઈ જાય. આપણે આમ આંખ દબાવ દબાવ કરીએ તોય પેલી બાજુ જતી રહે!

પ્રશ્નકર્તા : એવું શા માટે થાય ? એ જૂના પરમાણુ છે એટલે?

દાદાશ્રી : ના, પૂર્વે આપણે ચૂક ખાધી છે, પૂર્વે તન્મયાકાર થવા દીધું છે, તેનું આ ફળ આવ્યું છે. તો હવે એ આકર્ષણમાં ફરી તન્મયાકાર ના થાય ને એનું પ્રતિક્રમણ કરી પેલી ચૂક કાઢી નાખવાની. અને ફરી તન્મયાકાર થાય એટલે નવી ચૂક ખાધી, તો એનું ફળ આવતે ભવ આવશે. એટલે તન્મયાકાર ના થાય એવું આ વિજ્ઞાન છે આપણું ! સામામાં શુદ્ધાત્મા જ જો જો કર્યા કરવા અને બીજું દેખાય ને ખેંચાણ થાય તો પ્રતિક્રમણ કરવું, તે સિવાય બધું ભય-સિગ્નલ જ છે. બીજું બધું તમારે સમભાવે નિકાલ કરવો. આમાં તો સામો જબરજસ્ત મોટી ફરિયાદ કરનારો છે, માટે ચેતજો. અમે એ ચેતવણી આપીએ.

પ્રશ્નકર્તા : આ જ લોચો પડે છે ને !

દાદાશ્રી : જ્યાં આકર્ષણ થયું, તે આકર્ષણમાં

(પા.૧૧)

તન્મયાકાર થયો, તે ચોંટ્યો. આકર્ષણ થયું, પણ આકર્ષણમાં તન્મયાકાર ના થાય તો ચોંટે નહીં. પછી આકર્ષણ થાય તેનો વાંધો નહીં.

પ્રશ્નકર્તા : એ વસ્તુ પોતાને સમજાય કેવી રીતે કે આમાં પોતે તન્મયાકાર થયો છે ?

દાદાશ્રી : ‘આપણો’ એમાં વિરોધ હોય. ‘આપણો’ વિરોધ એ જ તન્મયાકાર ન થવાની વૃત્તિ. ‘આપણે’ વિષયના સંગમાં ચોંટવું નથી, એટલે ‘આપણો’ વિરોધ તો હોય જ ને ! વિરોધ હોય એ જ છૂટું અને ભૂલેચૂકે ચોંટી જાય, ગોથું ખવડાવીને ચોંટી જાય, તો પાછું તેનું પ્રતિક્રમણ કરવું પડે.

પ્રશ્નકર્તા : પોતાનો વિરોધ નિશ્ચયે કરીને તો છે જ, છતાં પણ એવું બને છે કે ઉદય એવા આવે કે એમાં તન્મયાકાર થઈ જવાય, એ શું છે?

દાદાશ્રી : વિરોધ હોય તો તન્મયાકાર થવાય નહીં અને તન્મયાકાર થયા તો ‘ગોથું ખાઈ ગયા છે’ એમ કહેવાય. તો એવું ગોથું ખાય, તેના માટે પ્રતિક્રમણ છે જ. પણ ગોથું ખાવાની ટેવ ના પાડવી, ગોથું ખાવાના ‘હેબીચ્યુએટેડ’ (આદતી) ના થવું. માણસ જાણી-જોઈને લપસી પડે ખરો ? અહીં ચીકણી માટી હોય, કાદવ હોય ત્યાં લોકોને જાણી-જોઈને લપસવાની ટેવ હોય કે ના હોય ? લોક શાથી લપસી જતા હશે ?

પ્રશ્નકર્તા : એ માટીનો સ્વભાવ ને માટી ઉપર પોતે ચાલ્યો, તેથી.

દાદાશ્રી : માટીનો સ્વભાવ તો એ પોતે જાણે છે. એટલે પછી પગના આંગળા દબાવી દે, બીજા બધા પ્રયત્નો કરે. બધી જાતના પ્રયત્નો કરવા છતાંય પડી જાય, લપસી પડે, તો એના માટે ભગવાન એને રજા આપે છે. તે પછી એવી ટેવ પાડી દે, તો શું થાય ?

પ્રશ્નકર્તા : ટેવ નહીં પડવી જોઈએ.

દાદાશ્રી : લપસી પડાયું એ તો આપણા હાથમાં, કાબૂમાં ના રહ્યું. તેથી સૌથી સારામાં સારું તો ‘આપણો’ વિરોધ, જબરજસ્ત વિરોધ ! પછી જે થાય એના જોખમદાર ‘આપણે’ નથી. તું ચોરી કરવાનો તદ્દન વિરોધી હોઉં, પછી તારાથી ચોરી થઈ જાય તો તું ગુનેગાર નથી. કારણ કે તું વિરોધી છે.

પ્રશ્નકર્તા : આપણે વિરોધી છીએ જ, છતાં પણ એ જે ચૂકાય છે, એ વસ્તુ શું છે ?

દાદાશ્રી : પછી ચૂકાય છે, તેનો સવાલ નથી. એ ચૂક્યાનો વાંધો ભગવાનને ત્યાં નથી. ભગવાન તો ચૂક્યાની નોંધ નથી કરતા. કારણ કે ચૂક્યાનું ફળ તો એને તરત જ મળી જાય છે. એને દુઃખ તો થાય છે ને ? નહીં તો એ શોખની ખાતર કરતો હોય તો, એને આનંદ થાય.

પ્રશ્નકર્તા : વિષયમાં સહમતપણું નથી હોતું તોય ખેંચાય છે.

દાદાશ્રી : એ ખેંચાય. એ ખેંચાય તેય બધું જાણવું જોઈએ. અને સ્ટ્રોંગ નિશ્ચય કોઈ દહાડો કર્યો નથી.

પ્રશ્નકર્તા : કાયમ ચૂકાય નહીં એવું જોઈએ.

દાદાશ્રી : આપણો તો નિશ્ચય હોવો જોઈએ કે આ અમારો નિશ્ચય છે. પછી કુદરત કરે તે આપણા હાથના ખેલ નથી, એ સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ છે. એમાં કોઈનુંય ના ચાલે.

પ્રશ્નકર્તા : એનો અર્થ તો એ થયો કે એવા સંજોગો જ મારે ના ઊભા થાય. પણ એ કેમ બને ?

દાદાશ્રી : એવું બને જ નહીં ને ! જગત છે, સંસાર છે, ત્યાં સુધી એવું બની ના શકે. એવું

(પા.૧૨)

બને ક્યારે, કે તમે જેમ જેમ આગળ જતા જશો એમ એવા સંજોગો ઓછા થતા જશે, તેમ તેમ એ જગ્યાએ ભૂમિકા એની મેળે જ આવશે. જ્ઞાનીની ભૂમિકા એવી હોય ને સેફસાઈડ હોય! એમના સંજોગો બધા પાંસરા હોય.

(આપ્તસૂત્ર - ૬૭૮)

જ્યાં આકર્ષણ ત્યાં મોહ. આકર્ષણવાળી જગ્યાએ ‘શુદ્ધ ઉપયોગ’ રાખો. એનાથી એ જગ્યા તમને હેરાન નહીં કરે.

જ્યાં આકર્ષણ ત્યાં મોહ. જ્યાં આપણી આંખો ખેંચાય, જ્યાં અંદર બહુ આકર્ષણ થયા કરે ત્યાં મોહ હોય જ. તેથી શાસ્ત્રકારોએ બહુ ચેતવ્યા છે કે આકર્ષણવાળી જગ્યાએ ઉપયોગ રાખો. શુદ્ધ ઉપયોગ રાખો તો એ જગ્યા તમને હેરાન નહીં કરે. નહીં તો એ આકર્ષણવાળી જગ્યા છે. જેમ આપણે લપસણી જગ્યા હોય તો શું કરીએ છીએ ?

પ્રશ્નકર્તા : ત્યાં ચેતીને ચાલીએ.

દાદાશ્રી : ત્યાં તમે જાગૃતિ નથી રાખતા ? ને લોકો બૂમો હઉ પાડે, ‘અરે, ચંદુભાઈ લપસી પડશો, જરા સાચવીને આવજો.’ એવું આ આકર્ષણ મોટું લપસણું છે. એટલે અહીં આગળ જાગૃતિ બહુ જ જોઈએ. અહીં શુદ્ધ ઉપયોગ ગોઠવો. જ્યાં આકર્ષણ થાય, ત્યાં શુદ્ધાત્મા જોઈને, પ્રતિક્રમણ વિધિ એ બધું કરીને ચોખ્ખું કરી નાખવું. બધે કાંઈ આકર્ષણ હોતું નથી.

આકર્ષણ-વિકર્ષણ આ શરીરને થતું હોય તો આપણે ચંદુભાઈને કહેવું પડે કે ‘હે ચંદુભાઈ, અહીં આકર્ષણ થાય છે તો પ્રતિક્રમણ કરો.’ તો આકર્ષણ બંધ થઈ જાય. આકર્ષણ-વિકર્ષણ બેઉ છે તે આપણને રઝળાવનારા છે. આ પુદ્ગલ શું કહે કે ‘તમે શુદ્ધાત્મા થઈ ગયા એનો મને વાંધો નથી, પણ તમારો મોક્ષ ક્યારે થશે ? અમે તો શુદ્ધ પરમાણુ રૂપે હતા, પણ તમે જ અમને બગાડ્યા છે. માટે અમને શુદ્ધ કરી નાખો. જેવા હતા તેવા કરી નાખો તો તમે છૂટશો. જ્યાં સુધી અમને શુદ્ધ કરશો નહીં, ત્યાં સુધી તમે છૂટશો નહીં.’ આ પુદ્ગલનો નિકાલ ના થાય ત્યાં સુધી એ છોડે નહીં. તેથી આપણે આ બધી ફાઈલોનો સમભાવે નિકાલ કરવાનું કહ્યું; તે પરમાણુ શુદ્ધ થવા માટે કહેલું છે.

પુદ્ગલની પોતાની એવી જુદી જુદી શક્તિઓ છે કે આત્માને આકર્ષણ કરે છે. એ શક્તિથી જ પોતે માર ખાધો છે ને ! આત્મા છે તે પુદ્ગલની શક્તિ જાણવા નીકળ્યો કે આ શું છે ? આ કઈ શક્તિ છે? હવે એમાં એ પોતે જ ફસાયો ! હવે શી રીતે છૂટે ? પોતાના સ્વરૂપનું ભાન થાય તો છૂટે.

(આપ્તસૂત્ર - ૨૨૯૯)

પોતાના ‘સ્વરૂપ’ સિવાય જે કંઈ પણ સ્મૃતિમાં રહેશે એ બધા વિષયો જ છે !

જે તને સાંભર સાંભર કરે તે વિષય. આ ભજિયાં કે દહીંવડાં ખાવાનો વાંધો નથી પણ તમે જો તે સાંભર સાંભર કર્યાં કે ‘કોઈ દહાડો આવા ફરી બનાવજો’ તેમ કહ્યું, તે વિષય છે. સિનેમા જોયો અને તેમાંનું કાંઈ પણ યાદ ફરી ના આવ્યું તો તે વિષય ના કહેવાય. ફરી યાદ ના આવે એટલે તેનો નિકાલ થઈ ગયો કહેવાય અને ફરી યાદ આવ્યું એનો અર્થ તન્મય થયેલો, એટલે તે વિષય કહેવાય. વિષયો કેટલી જાતના ? અનંત જાતના. ગુલાબનું ફૂલ ગમતું હોય તે બગીચામાં દેખ્યું ને દોડધામ કરી મૂકે, તે વિષય. જેને જે યાદ આવે તે વિષય. હીરા યાદ આવ્યા કરે તે વિષય. અને લાવ્યા પછી યાદગીરી બંધ થાય તો સમભાવે નિકાલ થાય. પણ જો ફરી ક્યારેય યાદ આવે તો નિકાલ ના થયો કહેવાય, તે વિષય જ કહેવાય.

(પા.૧૩)

ઈચ્છા થવી એ સ્વાભાવિક છે પણ ઈચ્છા કર્યા કરવી એ અવરોધકર્તા છે, નુકસાનકર્તા છે.

સ્ત્રીઓ સાડી જુએ ને સાંભર સાંભર કરે, તે તેનો વિષય કહેવાય. જ્યાં વિષય સંબંધ ત્યાં વિખવાદ થાય.

(આપ્તસૂત્ર - ૧૬૫૧)

આ દ્રષ્ટિદોષનું જ પરિણામ છે. આ દ્રષ્ટિદોષ જાય ત્યારે જગત ‘જેમ છે તેમ’ દેખાય. જેનો દ્રષ્ટિદોષ ગયો હોય એવા ‘અનુભવી પુરુષ’ જોડે બેસવાથી આપણો દ્રષ્ટિદોષ જાય, બીજા કશાથી નહીં.

સ્ત્રી સંબંધી તો આંખ પહેલી બગડે. આંખ બગડે પછી આગળ વધે છે. જેની આંખ ના બગડી તેને કશું જ ના થાય. હવે તારે જો સેફસાઈડ થવું હોય તો આંખ બગડવા ના દેવી અને આંખ બગડી હોય તો પ્રતિક્રમણ કરવું.

પ્રશ્નકર્તા : એ વિષય-વિકારી દ્રષ્ટિના પરિણામ કેવા ?

દાદાશ્રી : અધોગતિ. આ તો આખો દહાડો ‘ચા’ સાંભરે. ‘ચા’ દેખે ને દ્રષ્ટિ બગડે, તો તે ચા પીધા વગર રહે કે પછી ? દ્રષ્ટિ ના બગડે એ મોટામાં મોટો ગુણ કહેવાય.

ભગવાને કહેલું કે જગતમાં બધી ચીજો ખાજો, પણ મનુષ્ય જાતિની આંખને ના જોશો અને એના મોઢાને ધારી ધારીને ના જોશો. જુઓ તો સામાન્ય ભાવે જોજો, વિષય ભાવે જોશો નહીં. આ કેરીઓ જોઈએ અને બાજુએ મૂકીએ તો પડી રહે, એને એક જ બાજુ છે; પણ આ જીવતી જીવાત (વ્યક્તિ) તો ચોંટી પડશે, પછી બાજુએ મૂકશો તો દાવો માંડશે. આ લગનમાં દરવાજે ઊભા હોય ને દરેક માણસ આવે, એને ધારી ધારીને જુએ છે ? ના. એ તો એક આવે ને એક જાય એમ સામાન્ય ભાવે જુએ, એવું જોવાનું છે. અમારે જ્ઞાન થતાં પહેલાં નક્કી જ રાખેલું કે સામાન્ય ભાવે જોવું.

આ બધા લોકો ના હોત તો સારું ને ? આપણા ભાવ જ બગડત નહીં ને !

પ્રશ્નકર્તા : ના, એ તો આપણી મહીં જ એવા ભાવ છે, એટલે સામા નિમિત્ત ભેગા થયા છે ને ? એટલે આપણા ભાવ જ આપણે તોડી નાખવા જોઈએ, તો નિમિત્ત વળગે નહીં ને !

દાદાશ્રી : ખરું કહ્યું. એટલે જ અમે કહીએ છીએ કે આપણે ભાવનિદ્રા ટાળો. સર્વ પ્રકારના ભાવ આવે એવા આ લોકો છે. તેમાં ભાવનિદ્રા ના આવવી જોઈએ, દેહનિદ્રા આવે તો ચાલશે.

પ્રશ્નકર્તા : પણ ભાવનિદ્રા જ આવે છે ને !

દાદાશ્રી : એવું કેમ ચાલે ? આ ટ્રેન સામેથી આવતી હોય તો ભાવનિદ્રા નથી રાખતો. ટ્રેન તો એક અવતારનું મરણ લાવે તેવું છે, પણ આ તો અનંત અવતારનું જોખમ છે. ચિત્ર-વિચિત્ર ભાવ ઉત્પન્ન થાય એવું આ જગત છે, એમાં તારે તારી મેળે સમજી લેવાનું છે. ભાવનિદ્રા આવે છે કે નહીં ? ભાવનિદ્રા આવે તો જગત તને ચોંટશે. હવે ભાવનિદ્રા આવે, તો ત્યાં એ જ દુકાનના શુદ્ધાત્મા પાસે બ્રહ્મચર્ય માટેની શક્તિઓ માંગવી કે ‘હે શુદ્ધાત્મા ભગવાન, મને આખા જગત જોડે બ્રહ્મચર્ય પાળવાની શક્તિઓ આપો.’ અમારી પાસે જો શક્તિઓ માંગે તો ઉત્તમ જ છે, પણ પેલું ડિરેક્ટ, જે દુકાન જોડે વ્યવહાર થયો છે ત્યાં માંગી લેવું એ સારામાં સારું.

શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે ‘દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય.’ શાસ્ત્રોમાં વાંચીએ છીએ કે સ્ત્રી પર રાગ ના કરવો અને પાછા સ્ત્રીને જોઈએ છીએ ને ભૂલી જવાય છે, તેને દેખત ભૂલી કહેવાય. મેં તો તમને એવું જ્ઞાન આપ્યું છે

(પા.૧૪)

કે હવે તમને દેખત ભૂલી યે રહી નહીં. તમને શુદ્ધાત્મા દેખાય, બહારનું પેકિંગ ગમે તેવું હોય તોય પેકિંગ જોડે આપણને શી લેવાદેવા ? પેકિંગ તો સડી જવાનું છે, બળી જવાનું છે. પેકિંગમાં શું કાઢવાનું છે ? એટલા માટે જ્ઞાન આપેલું છે કે આપણે શુદ્ધાત્મા જુઓ, એટલે દેખત ભૂલી ટળે ! પછી એ ભૂલ ના થવા દે, દ્રષ્ટિ ખેંચાય નહીં.

આપણે તો સામી વ્યક્તિમાં શુદ્ધાત્મા જ જોઈએ, પછી આપણને બીજો ભાવ કેમ ઉત્પન્ન થાય ? બહુ સારું રૂપાળું હોય તો એની પર રાગ થાય, પણ આપણે શુદ્ધાત્મા જોઈએ તો રાગ થાય ? એટલે આપણે શુદ્ધાત્મા જ જોવા.

જ્ઞાનીઓને આરપાર દ્રષ્ટિ હોય. જેવું છે તેવું દેખાય. એવું દેખાય તો પછી વિષય રહે ? એનું નામ જ્ઞાન. જ્ઞાન એટલે આરપાર જેમ છે તેમ દેખાવું. આ હાફૂસની કેરી હોય તો તે વિષયની અમે ના ન પાડીએ. એને જો કાપે તો લોહી ના દેખાય, તો એ નિરાંતે ખા. આ તો કાપે તો લોહી નીકળે, પણ એની જાગૃતિ રહેતી નથી ને ! તેથી માર ખાય છે. તેથી આ સંસાર ઊભો રહ્યો છે. આ જ્ઞાનથી જાગૃતિ પછી ધીમે ધીમે વધતી જાય, વિષય ખલાસ થતો જાય. મારે બંધ કરવાનું કહેવું ના પડે, એની મેળે જ તમારે બંધ થતું જાય.

આ દાનતચોરી છોડી દેવી જોઈએ. એ તરફ દ્રષ્ટિ જ કેમ જવી જોઈએ ? એટલે બધી મીનિંગલેસ (અર્થહીન) વાતો છે. આ તો તારે દ્રષ્ટિ કેળવવી જોઈએ કે કપડાં સાથે આમ આરપાર દેખાય એટલે કે પહેરેલ કપડે કપડાં રહિત દેખાય, પછી ચામડી રહિત દેખાય, એવી દ્રષ્ટિ કેળવવી પડે ત્યારે પોતાની સેફસાઈડ થાય ને ! આ શાથી બોલું છું ? માણસને મોહ શાથી થાય છે ? કપડાં પહેરેલાં દેખે છે ને મોહ થાય છે! પણ અમારા જેવી આરપાર દ્રષ્ટિ થઈ જાય, પછી મોહ જ ઉત્પન્ન ના થાય ને !

(આપ્તસૂત્ર - ૩૦૭૪)

જે ચિત્તને ડગાવે એ બધા જ વિષયો છે.

જે ચિત્તને ડગાવે એ બધા જ વિષયો છે. જ્ઞાનની બહાર જે જે વસ્તુમાં ચિત્ત જાય છે એ બધા જ વિષય છે.

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે વિચાર ગમે તે આવે તેનો વાંધો નથી પણ ચિત્ત ત્યાં જાય તેનો વાંધો છે.

દાદાશ્રી : હા, ચિત્તની જ ભાંજગડ છે ને ! ચિત્ત ભટકે એ જ ભાંજગડ ને ! વિચાર તો ગમે તેવા હશે એ વાંધો નહીં પણ ચિત્ત આ જ્ઞાન મળ્યા પછી આઘુંપાછું ના થવું જોઈએ.

પ્રશ્નકર્તા : વખતે એવું થાય તો એનું શું ?

દાદાશ્રી : આપણે ત્યાં આગળ ‘હવે એવું ના થાય’ એવો પુરુષાર્થ માંડવો પડે. પહેલાં જેટલું ચિત્ત જતું હતું, એટલું જ હજુ પણ જાય છે?

પ્રશ્નકર્તા : ના, એટલું બધું સ્લીપ થતું નથી, છતાં એ પૂછું છું.

દાદાશ્રી : ના, પણ ચિત્ત તો જવું જ ના જોઈએ. મનમાં ગમે તેવા ખરાબ વિચાર આવશે તેનો વાંધો નહિ. એને ખસેડ ખસેડ કરો. એની જોડે વાતચીતનો વ્યવહાર કરો, કે ફલાણો ભેગો થઈ જશે તો ક્યારે એ કરશો? એના માટે લારીઓ, મોટરો ક્યાંથી લાવીશું ? અગર તો સત્સંગની વાત કરીએ. એટલે મન પાછું નવા વિચાર દેખાડશે.

કોઈ માણસને પોતાને ઘેર સ્વરૂપવાન સ્ત્રી છે, છતાં એણે રસ્તામાં કોઈ એક સ્ત્રી જોઈ. તે જેમ પેલી બેનનું ચિત્ત સાડીમાં રહી ગયું તેવું આ ભાઈનું ચિત્ત પેલી સ્ત્રી દેખીને એમાં રહી જાય છે. એટલે એને મૂર્છિત થઈ ગયો કહેવાય. મૂર્છિત થઈ ગયો એટલે એનામાં શું શક્તિ રહે પછી ? મૂર્છિત

(પા.૧૫)

થઈ ગયો એટલે એ અને દારૂડિયો બેઉ સરખા થઈ ગયા. એમાં પછી કશી બરકત આવે નહીં.

વધારેમાં વધારે ચિત્ત ફસાય શેમાં ? વિષયમાં. અને ચિત્ત ફસાયું એટલું ઐશ્વર્ય તૂટી ગયું. ઐશ્વર્ય તૂટ્યું એટલે જાનવર થયો. એટલે વિષય એવી વસ્તુ છે કે એનાથી જ બધું જાનવરપણું આવ્યું છે. મનુષ્યમાંથી જાનવરપણું વિષયને લીધે થયું છે. છતાં આપણે શું કહીએ છીએ કે આ તો પહેલેથી સંઘરેલો માલ છે, તે નીકળે તો ખરો પણ ફરી નવેસરથી સંઘરો નહીં કરો, એ ઉત્તમ કહેવાય.

પ્રશ્નકર્તા : ચિત્ત જો સહેજ પણ વિષયના સ્પંદનોને ટચ થયેલું હોય, તે સ્થૂળમાં નહીં પણ સૂક્ષ્મમાં પણ થયું હોય, તો કેટલાય કાળ સુધી પોતાની સ્થિરતા ના રહેવા દે. અને ચિત્ત એને અડીને પાછું છૂટી ગયું હોય તો પોતાની સ્થિરતા જાય નહીં.

દાદાશ્રી : પૂર્વે જે પર્યાયોનું ખૂબ વેદન કર્યું હોય તે અત્યારે વધારે આવે. ત્યારે ચિત્ત ત્યાં જ ચોંટી રહે. જેમ જેમ એ ચોંટ ધોવાતી જાય તેમ તેમ ત્યાં પછી ચિત્ત વધારે ના ચોંટે અને છૂટું પડી જાય. અટકણ આવે ને ત્યાં જ ચોંટેલું રહે. ત્યારે આપણે શું કહેવું ? તારે જેટલા નાચ કરવા હોય એટલા કર. હવે ‘તું જ્ઞેય ને હું જ્ઞાતા’, આટલું કહેતાંની સાથે જ એ મોઢું ફેરવી નાખશે. એ નાચે તો ખરું પણ એનો ટાઈમ હોય એટલી વાર નાચે, પછી જતું રહે. આત્મા સિવાય આ જગતમાં બીજું કંઈ જ સરસ નથી. આ તો પૂર્વે જેનો પરિચય કરેલો હોય, એ પહેલાંનો પરિચય અત્યારે ડખો કરાવે છે.

(આપ્તસૂત્ર - ૩૬૧૭)

વાસનાઓ શું છે ? તે કેવી રીતે જાય ? ‘હું ચંદુભાઈ છું’ એ મિટે તો જ વાસનાઓ જાય, નહીં તો વાસનાઓ જાય નહીં.

પ્રશ્નકર્તા : મનુષ્યોની વાસનાઓનો મોક્ષ ક્યારે થાય?

દાદાશ્રી : વાસનાઓનો તો થઈ જ જાય. વાસનાઓ તો તમે જ ઊભી કરેલી છે. તમે જ એના જન્મદાતા છો અને વિલય કરનારાય તમે છો.

તમારી વાસના જુદી ને આ ભઈની વાસના જુદી. દરેકની જુદી જુદી વાસનાઓને ! અને વાસના તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. હમણે એક મુસલમાન ભઈબંધ થયો હોય ને, તો પછી પેલું માંસાહાર ખાતા હઉ શીખી જાય. હવે એ વાસના કંઈથી લાવ્યા’તા ? ત્યારે કહે, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થાય અને તે નવું નથી, આ ગપ્પું નથી. પાછું પહેલાના કૉઝિઝના હિસાબે છે આ બધા. તે ખાતા શીખી જાય. બીજું, સંજોગોને લીધે વાસનાઓ ઊભી થાય છે. બાકી એક છોકરો છે તે એમ ને એમ કોઈ માણસ દેખાય નહીં ને, ત્યાં આગળ એ ઉછરતો હોય તો એ વિષય સમજી શકે નહીં. ખાવા-પીવાનું સમજી શકે એ. પણ ત્યાં આગળ જાનવર કશું હોવું ના જોઈએ. એને જોવામાં ન આવવું જોઈએ, તો એને કશી વાસના નથી. આ તો બધું વાસનાઓનું સંગ્રહસ્થાન છે ને ત્યાં જન્મ થવાનો, એટલે પછી શું થાય એ સંગ્રહસ્થાનમાંથી ? એ જોવામાં આવ્યું, ત્યાંથી વાસના ઊભી થઈ જાય.

પ્રશ્નકર્તા : વાસના છોડવાનો સહેલામાં સહેલો ઉપાય કયો ?

દાદાશ્રી : મારી પાસે આવો તે ઉપાય, બીજો શો ઉપાય ? વાસના તમે જાતે છોડશો તો બીજી પેસી જશે. કારણ કે એકલો અવકાશ રહેતો જ નથી. તમે વાસના છોડો કે અવકાશ થયો ને ત્યાં પછી બીજી વાસના પેસી જશે.

વાસનાઓ શું છે તે ? ‘હું ચંદુભાઈ છું’ એ મટે તો જ વાસનાઓ જાય, નહીં તો વાસનાઓ જાય નહીં. હું તો શું કહું છું કે ‘આત્મા શું છે’ એ જાણો, ‘અનાત્મા શું છે’ એ જાણો. એ જાણતાં જ વાસનાઓ ઊડી જશે.

(પા.૧૬)

પ્રશ્નકર્તા : એ કેવી રીતે મટાડી શકાય ?

દાદાશ્રી : આ વાસનાવાળો એ ચંદુભાઈ અને તમે તો ‘માય નેઈમ ઈઝ ચંદુભાઈ’ કહો છો. માટે તમે જુદા છો આનાથી. એ વાતની ખાતરી થાય છે ? તો એ તમે કોણ છો ? એટલું જ તમને હું રીયલાઈઝ કરી આપું. એટલે તમારી વાસના છૂટી ગઈ.

અને તેય અજાયબી છે કે જ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે વાસનાઓ ક્યાંય ઊડી જાય છે, તે જ સમજણ નથી પડતી.

(આપ્તસૂત્ર - ૩૧૨૩)

ચિત્તવૃત્તિઓ જે બહાર ભટકતી હતી, તે પોતાના ઘર ભણી વળી ત્યારથી જ જાણવું કે મુક્તિના બેન્ડ-વાજાં વાગ્યા. ચિત્તવૃત્તિના બંધનથી મુક્તિ થવી, એનું નામ જ સંસારથી મુક્તિ થવી. ચિત્તવૃત્તિ એકલી જ બંધાયેલી છે. આ ચિત્ત લપટું પડી ગયું છે.

જેટલી ચિત્તવૃત્તિઓ ભટકે તેટલું આત્માને ભટકવું પડે. જ્યાં ચિત્તવૃત્તિ જાય, તે ગામ આપણે જવું પડશે. ચિત્તવૃત્તિ નકશો દોરે છે. આવતા ભવને માટે જવા-આવવાનો નકશો દોરી નાખે. એ નકશા પ્રમાણે પછી આપણે ફરવાનું. તો ક્યાં ક્યાં ફરી આવતી હશે ચિત્તવૃત્તિઓ ?

પ્રશ્નકર્તા : પણ ચિત્ત ભટકે, એમાં શું વાંધો ?

દાદાશ્રી : ચિત્ત જે પ્રમાણે પ્લાનિંગ (યોજના) કરે, તે પ્રમાણે આપણે ભટકવું પડશે. માટે જવાબદારી આપણી, જેટલું ભટક ભટક કરે તેની !

ચિત્ત ચેતન છે. એ જ્યાં જ્યાં ચોંટ્યું, ત્યાં ત્યાં ભટક ભટક ભટક કર્યા કરવું પડે !

પ્રશ્નકર્તા : ચિત્ત જ્યાં ને ત્યાં નથી ઝલાઈ જતું, પણ એક ઠેકાણે ઝલાયું તો તે આગલો હિસાબ છે ?

દાદાશ્રી : હા, હિસાબ છે તો જ ઝલાય. પણ હવે આપણે શું કરવું ? પુરુષાર્થ એનું નામ કહેવાય કે હિસાબ હોય ત્યાંય ઝલાવા ના દે. ચિત્ત જાય અને ધોઈ નાખે ત્યાં સુધી અબ્રહ્મચર્ય ગણાતું નથી. ચિત્ત જાય ને ધોઈ ના નાખે તો એ અબ્રહ્મચર્ય કહેવાય. તેથી કહ્યું ને, ‘માટે ચેતો મન-બુદ્ધિ, નિર્મળ રહેજો ચિત્તશુદ્ધિ.’ મન-બુદ્ધિને ચેતવે છે. હવે આપણે ચિત્તવૃત્તિ નિર્મળ રાખવા શું કરવું પડે ? આજ્ઞામાં રહેવું પડે. અમારું ચિત્ત સંપૂર્ણ શુદ્ધ રહે, એટલે પછી કશું અડેય નહીં ને નડેય નહીં. જેમ ચંદ્રગ્રહણ લખેલું હોય છે, તે આઠ વાગ્યાથી તે એક વાગ્યા સુધી, એટલે આઠ વાગ્યે શરૂ થાય તે એક વાગ્યા પછી ફરી ચંદ્રનું ગ્રહણ નથી, એવું તમે જેમ જેમ આજ્ઞામાં રહ્યા કરો એટલે પહેલાનું જે ગ્રહણ થઈ ગયેલું છે તે છૂટી જાય અને પછી નવું જોખમ ઊડી જાય. એટલે પછી વાંધો નહીં ને !

મારી ચિત્તવૃત્તિ મારામાં જ રહ્યા કરે છે, તમારી વિખરાઈ ગયેલી છે. તમારી વિખરાઈ ગયેલી નથી ? બસ આટલો જ આમ તાત્ત્વિક દ્રષ્ટિએ ફેર છે. વધારે લાંબો ફેર નથી. જો તમે તમારી ચિત્તવૃત્તિઓ વિખરાવા ના દો, ધીમે ધીમે, તો તમે મારા જેવા જ થઈ જાવ.

આ તો શામાં શામાં વિખરાવા દીધી ? કંઈક ઊંચું ઘડિયાળ જોયું ને ખરીદવા માટે આજે પૈસા નથી, એટલે મનમાં પેઠું કે પૈસા જ્યારે આવે ત્યારે આ ઘડિયાળ લેવું છે. તે પાછી ચિત્તવૃત્તિઓ ત્યાં એ દુકાનમાં ને દુકાનમાં રહે જ. રાત પડે તોય પાછી ના આવે. આ સ્ત્રીઓ છે તે બજારમાં જાય છે, તે બજારમાં પેલાં વેપારીઓ સાડીઓ સૂકવવા નાખે છે ઉનાળાને દહાડે, બબ્બે હજારની, ત્રણ-

(પા.૧૭)

ત્રણ હજારની સાડીઓ સૂકવવા નાખે છે ને ? શા હારુ રાખતા હશે સાડીઓ ?

પ્રશ્નકર્તા : જનાર-આવનાર જુએ એટલે.

દાદાશ્રી : કેવી સરસ સાડી છે, ઓહોહો! કેવી સરસ ! એ જ સાડી જો મહીં દાબડામાં પડેલી હોય તો કશી ચિત્તવૃત્તિ ના થાય. આ તો ભાઈ ને બાઈ બે જતાં હોય ને સાડી જોવામાં આવી કે ચમક્યાં ! આપણે વેપારીને પૂછીએ કે ‘ભાઈ, તેં આ સાડીઓ સૂકવવા મૂકી છે ?’ ત્યારે એ કહે, ‘ના. લોકોને આકર્ષણ કરી અને એમની પાસેથી પૈસા લેવા છે. મારે વેપાર કરવો છે.’ ‘અરે પણ સાડી, આ જડ વસ્તુ આકર્ષણ કરશે?’ ત્યારે કહે, ‘ભલભલાને આકર્ષણ કરશે. પહેરનારીને આકર્ષણ કરશે ને પહેરનારાં ના હોય તે પુરુષને આકર્ષણ કરશે.’ આ સાડીમાં તો આટલી બધી શક્તિ મૂકી છે ! તે સાડી બાઈએ જોઈ અને ધણીને કહે છે, ‘જોઈને તમે ?’ ત્યારે ધણી જાણે કે આપણે માથે પડશે. ‘હા, જોઈ, જોઈ. એવી બધી બહુ હોય છે.’ એમ કહે. એ બાઈને પટાવવા ફરે પણ આ પટે નહીં. પછી બાઈની ચિત્તવૃત્તિ ચોરાઈ ગઈ ત્યાં આગળ અને પછી બાઈ ઘેર આવે ને ત્યારે આપણે મોઢું જોઈએ તો, ‘આપણે નીકળ્યા હતા ત્યારે હતું તેવું મોઢું નથી. બજારમાં કશુંક ખોવાઈ ગયું.’ ત્યારે કહે, ‘આખું ચિત્ત ચોરાઈ ગયું છે બિચારીનું. હવે સાડીમાં ને સાડીમાં ચિત્ત રહ્યા કરશે.’ આ એવું તમારું ચિત્ત ક્યાં ક્યાં બધે ખોવાઈ ગયું હશે ?

મારું ચિત્ત તો મારામાં જ છે, આઘુંપાછું થતું જ નથી. એટલે આ ચિત્ત મારું મારામાં છે ને તમારું તમારામાં નથી. એ જો ધીમે ધીમે, અંશે અંશે તમે ફેરવવા માંડો તો વાંધો આવે એમ છે?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : આ લોકો જે કહે છે એ રસ્તા ન હોય મોક્ષના ! અને સ્વતંત્ર થવાનાય રસ્તા ન હોય ને ધર્મનાય રસ્તા ન હોય ! રસ્તો તો આ પોતાની ચિત્તવૃત્તિ પાછી વાળી લાવવી એ જ રસ્તો. આ લોકો જે બખાડાં પાડે છે, એ ધર્મનો રસ્તો મહીં એકુંય સાચો રસ્તો નથી. છતાં એ બોલે છે એ ખોટુંય નથી. એ કેટલાંક લોકોને માફક આવે છે. દરેક સ્ટેન્ડર્ડ જુદા છે. દરેક સ્ટેન્ડર્ડવાળાને જોઈએ તો ખરો ને કે ના જોઈએ ખોરાક ?

વધારેમાં વધારે ચિત્ત ફસાય શેમાં ? વિષયમાં. જેને વિષય ના હોય તેને આ બધું ચલાવી લેવાય વખતે. ચિત્તને ફસાવાનું મોટું સ્થળ કયું ? ત્યારે કહે, વિષય. બીજું સ્થળ કયું? અનાવશ્યક ચીજો. પેટમાં ખાવા જોઈએ. તે ખાવાનું દાળ-ભાત કે રોટલા જે જોઈએ તે જોઈએ. બીજું શું જોઈએ ? એટલી આવશ્યક કહેવાય. ખાવા-પીવાનું, લૂગડાં એ આવશ્યક ચીજો કહેવાય ને આ અનાવશ્યક, જેની કંઈ જરૂરિયાત નથી.

આ ચિત્ત વિખરાઈ ગયેલું હોય તે ઘડિયાળના બાલચક્રની પેઠ હલાહલ કરે. અમારું ચિત્ત કશામાં હોય નહીં ને ! આ દેહમાં ય નહીં ને ! ત્યારે આ વાણી નીકળે, ત્યારે બધું નીકળે.

આ તો જે દેખ્યું એમાં ચિત્ત ફસાઈ જાય. આમાં ફસાઈ જાય, તેમાં ફસાઈ જાય. જેટલી નવી વસ્તુઓ દેખે ને, પેલી મીણબત્તી દેખે ને, તે નવી જાતની દેખાય એટલે પછી એમાં ચિત્ત ફસાય. જો પેલી બાજુ કેવી દીવાદાંડી સરસ છે ને ! તો એમાં પાછું ચિત્ત ફસાય ! ચિત્ત ફસાયું એટલું ઐશ્વર્ય તૂટી ગયું અને ઐશ્વર્ય તૂટ્યું એટલે જાનવર થયો.

(આપ્તસૂત્ર - ૨૮૪૪)

કષાય ક્યાંથી જન્મ્યા ? વિષયમાંથી. વિષયનો દોષ નથી, અજ્ઞાનતાનો દોષ છે. ‘રૂટ કોઝ’ અજ્ઞાનતા છે.

પ્રશ્નકર્તા : વિષય અને કષાય, એ બેમાં મૂળભૂત ફરક શું છે ?

(પા.૧૮)

દાદાશ્રી : કષાય એ આવતા ભવનું કારણ છે અને વિષય એ ગયા ભવનું પરિણામ છે. એટલે આ બેમાં તો બહુ ફેર છે.

પ્રશ્નકર્તા : એ જરા વિગતવાર સમજાવો.

દાદાશ્રી : આ બધા જેટલા વિષયો છે, એ ગયા અવતારના પરિણામ છે. તેથી અમે વઢતાં નથી કે તમને મોક્ષ જોઈતો હોય તો જાવ એકલા પડી રહો, ઘેરથી હાંક હાંક ના કરીએ ? પણ અમે અમારા જ્ઞાનથી જોયું છે કે વિષય એ ગયા અવતારનું પરિણામ છે. એટલે કહ્યું કે જાવ ઘેર જઈને સૂઈ જાવ, નિરાંતે ફાઈલોનો નિકાલ કરો. અમે આવતા ભવનું કારણ તોડી નાખીએ અને જે ગયા અવતારનું પરિણામ છે એ અમારાથી છેદાય નહીં, કોઈથીય છેદાય નહીં. મહાવીર ભગવાનથીય ના છેદાય. કારણ કે ભગવાનનેય ત્રીસ વર્ષ સુધી સંસારમાં રહેવું પડ્યું હતું ને બેબી થઈ. વિષય અને કષાયનો અર્થ ખરેખર આ થાય, પણ એની લોકોને કશું ખબર જ ના પડે ને ! એ તો ભગવાન મહાવીર એકલા જ જાણે કે આનો શું અર્થ થાય !

પ્રશ્નકર્તા : પણ વિષય આવ્યા, તો કષાય ઊભા થાય ને ?

દાદાશ્રી : ના. બધા વિષય વિષય જ છે, પણ વિષયમાં અજ્ઞાનતા હોય ત્યારે કષાય ઊભા થાય અને જ્ઞાન હોય તો કષાય ના થાય. કષાય ક્યાંથી જન્મ્યા ? ત્યારે કહે, વિષયમાંથી. એટલે આ બધા કષાય ઊભા થયા છે તે બધા વિષયમાંથી ઊભા થયેલા છે. પણ આમાં વિષયનો દોષ નથી, અજ્ઞાનતાનો દોષ છે. રૂટ કૉઝ શું છે ? અજ્ઞાનતા. ક્રમિકમાર્ગમાં વિષયો પહેલાં બંધ કરવા પડે, તો જ કષાય બંધ થાય. તેથી તો બધા વિષયોનો ત્યાગ કરી કરીને દાટાં મારી દેવાના ને ! તેય એવા પેચવાળા દાટાં કે એની મેળે ખૂલી ના જાય. એવા દાટાં હોય નહીં તો દાટાં લપટાં પડી જાય. ખાવાનું બધું ભેળું કરીને ખાવાનું જેથી જીભનો વિષય ચોંટે નહીં, એમ આંખનો વિષય ચોંટે નહીં, કાનનો વિષય ચોંટે નહીં, નાકનો વિષય ચોંટે નહીં, સ્પર્શનો વિષય ચોંટે નહીં, એવા પેચવાળા દાટાં મારવાના.

પ્રશ્નકર્તા : આ અથડામણો-કષાયો થાય છે, એનું મૂળ વિષય જ ને?

દાદાશ્રી : હા, બધું વિષયને લઈને જ છે. એ વિષયમાં એક્સપર્ટ (નિષ્ણાંત) થઈ ગયેલો હોય. વિષયમાં ‘ટેસ્ટફૂલ’ (રસ ધરાવતો) થયેલો છે, એટલે મહીં સ્વાર્થ હોય અને સ્વાર્થને લઈને અથડામણ થાય. સ્વાર્થમય પરિણામ હોય ત્યાં કોઈ દહાડો કશું દેખાય નહીં. સ્વાર્થી હંમેશાં આંધળો હોય. સ્વાર્થી, લોભી, લાલચુ બધા આંધળા હોય. આ દુનિયાનો બધો આધાર પાંચ વિષય ઉપર જ છે. જેને વિષય નથી, તેને અથડામણ નથી.

પ્રશ્નકર્તા : અને એ ખરું કે નહીં કે મોટા દોષ વિષયના હોય છે, કષાય કરતાં પણ ?

દાદાશ્રી : ના, દોષ વિષયના હોય પણ વિષય એ ઈફેક્ટિવ છે, કષાય એ કૉઝિઝ છે. એટલે એ તો એની બધી ઈફેક્ટ આપીને જતો રહેશે. એટલે કષાય જ દુઃખદાયી છે અને કષાયથી જ સંસાર ઊભો રહ્યો છે. પણ એ સમજવાની જરૂર છે કે એ કેવી રીતે ઈફેક્ટિવ છે !

પ્રશ્નકર્તા : એ વધારે સમજાવો કે આ બધા વિષય એ ઈફેક્ટ છે.

દાદાશ્રી : વિષય એ ઈફેક્ટ જ છે, કાયમને માટે એ ઈફેક્ટ જ છે. પણ કૉઝિઝ જ્યાં સુધી સમજાયા નથી, ત્યાં સુધી વિષય પણ કૉઝિઝ સ્વરૂપે છે. એવું છે ને, આ વાત ખુલ્લી બહાર ના કહેવાય કે વિષય એ કૉઝિઝ નથી, ઈફેક્ટ

(પા.૧૯)

જ છે એકલી. જે કૉઝિઝને કૉઝિઝ જાણે છે, તેને વિષય ઈફેક્ટ છે.

(આપ્તસૂત્ર - ૩૬૧૧)

ભય રાખવા જેવો હોય તો વિષયનો રાખવા જેવો છે. બીજી કોઈ આ જગતમાં ભય રાખવા જેવી જગ્યા નથી. માટે એનાથી ચેતતા રહેવું.

વિષયને ઝેર જાણ્યું જ નથી. ઝેર જાણે તો એને અડે નહીં ને! તેથી ભગવાને કહ્યું કે જ્ઞાનનું ફળ વિરતિ ! જાણ્યાનું ફળ શું ? અટકી જાય.વિષયોનું જોખમ જાણ્યું નથી, માટે તેમાં અટક્યો નથી.

ભય રાખવા જેવો હોય તો, આ વિષયનો ભય રાખવા જેવો છે. બીજી કોઈ આ જગતમાં ભય રાખવા જેવી જગ્યા જ નથી. માટે વિષયથી ચેતો. આ સાપ, વીંછી, વાઘથી નથી ચેતતા ? ચેતતા રહીએ છીએ ને? જેમ વાઘની વાત આવે, ત્યારે એ ભય આપણે ના રાખવો હોય તોય એનો ભય લાગે છે ને ? તેમ વિષયની વાત આવે ને ભય લાગવો જોઈએ. ભય હોય ત્યાં ખાવાનું મોજથી જમે ? ના. એટલે ભય હોય ત્યાં મોજ ના હોય. જગત આ વિષયો ભયથી ભોગવતા હશે ? ના. આ તો લોકો મોજથી ભોગવે છે. ભય હોય ત્યાં ભોગવટો (ભોગવવાપણું) જ ના હોય.

કોઈ કહેશે કે જલેબી ખાઉં ? તો હું કહું કે એ સારી છે, ખાજો નિરાંતે. દહીંવડા ખાજો, બધું ખાજો. આ બધામાં સ્વાદ લાગે છે. જ્ઞાનીને સ્વાદ સમજાય, પણ એમને આ સ્વાદમાં સારું-ખોટું ના હોય કે આ હોય તો જ મારે ચાલશે. વિષયનો તો જ્ઞાની પુરુષને સ્વપ્નેય વિચાર ના આવે. એ તો પાશવી વિદ્યા છે. મનુષ્યમાં ખુલ્લી પાશવતા કહેવામાં આવે તો આટલી જ છે. મનુષ્યપણું તો મોક્ષને માટે જ હોવું જોઈએ.

અનંત અવતારની કમાણી કરે ત્યારે ઊંચું ગોત્ર, ઊંચા કુળમાં જન્મ થાય. પણ પછી લક્ષ્મી ને વિષયની પાછળ અનંત અવતારની કમાણી ખોઈ નાખે !

(આપ્તસૂત્ર - ૬૬૯)

‘વિષયો એ વિષ નથી, વિષયોમાં નિડરતા એ વિષ છે’ માટે વિષયોથી ડરો.

ìવષયની બાબતમાં જગતમાં ભારે અણસમજ ચાલે છે. શાસ્ત્રો કહે છે કે વિષય એ વિષ છે. કેટલાક લોક પણ કહે છે કે વિષય એ વિષ છે અને તે મોક્ષે ના જવા દે. અમે એકલા જ કહીએ છીએ કે ‘વિષય એ વિષ નથી, પણ વિષયમાં નીડરતા એ જ વિષ છે. માટે વિષયોથી ડરો.’ આ બધા વિષયોમાં નીડરતા રહેવી એ જ વિષ છે. નીડર ક્યારે રહે કે બે-ત્રણ સાપ આવતા હોય, તે વખતે તમારો પગ નીચે હોય અને તમને ડર ના લાગતો હોય તો પગ નીચે રાખો પણ ડર લાગતો હોય તો પગ ઉપર લઈ લેવો. પણ જો તમને ડર ના લાગતો હોય અને પગ ઊંચા જ ના લો તો, પૂર્ણ જ્ઞાની-કેવળ જ્ઞાનીની નિશાની છે. પણ પૂર્ણ નથી થયા ત્યાં સુધી તમે જાતે જ ડરીને પગ ઊંચા લઈ લો છો. માટે તમને વિષયોમાં નીડર રહેવા થર્મોમિટર આપીએ છીએ. જો સાપ સમક્ષ તું નીડર રહી શકતો હોય તો વિષયોમાં નીડર રહેજે અને ત્યાં જો ડર લાગતો હોય, પગ ઊંચા કરી લેતો હોય તો વિષયોથી પણ ડરતો રહેજે. વિષયોમાં નીડર થવાય જ નહીં. ભગવાન મહાવીર પણ વિષયોથી ડરતા અને અમે પણ ડરીએ છીએ. વિષયોમાં નીડરતા એટલે તો બેફામપણું કહેવાય.

વિષયોની આરાધના કરવા જેવી નથી અને તેનાથી ભડકવા જેવુંય નથી, તેની ચીઢેય કરવા જેવી નથી. હા, સાપ આગળ તું કેવો ચેતીને

(પા.૨૦)

ચાલે છે ? તેમ વિષયોથી ચેતતો રહેજે ! નીડર ના થઈશ.

પ્રશ્નકર્તા : નીડરતા એ બેદરકારી કહેવાય ને ?

દાદાશ્રી : નીડરતા શબ્દ એટલા માટે મેં આપેલો છે કે વિષયમાં ડરે, નાછૂટકે વિષયમાં પડે. એટલે વિષયોથી ડરો, એમ કહીએ છીએ. કારણ કે ભગવાન હઉ ડરતા હતા, મોટા મોટા જ્ઞાનીઓય ડર્યા હતા, તો તમે એવા કેવા છો કે વિષયથી ડરો નહીં ? મને હવે કંઈ નડવાનું નથી, એ વિષ છે. માટે વિષયથી ડરો. વિષય ભોગવો ખરા પણ વિષયથી ડરો. જેમ સુંદર રસોઈ આવી હોય, રસ-રોટલીને એ બધું ભોગવો ખરા પણ ડરીને ભોગવો. ડરીને શા માટે કે વધુ ખાશો તો ઉપાધિ થઈ પડશે, એટલા માટે ડરો.

એક બાવો ખોળી લાવો કે જેને આજ પૈણાવીએ આપણે અને મહિનો જો ઘર માંડે તો સાચું ! આ તો ત્રીજો જ દા’ડે નાસી જાય, હંકે! ‘આ ફલાણું લઈ આવો, ફલાણું લઈ આવો’ કહ્યું કે ભાગી જાય ! અને આ લોકોને હેરાન કરે કે ‘હવે તમારું શું થશે’ કહે ! એટલે મારે આ ભારે શબ્દો લખવા પડ્યા, કે ‘વિષયો વિષ નથી, જાવ ભડકશો નહીં.’ હું તમારો ભડકાટ કાઢવા માટે આવ્યો છું. સહજ ભાવે વિષયો ભોગવો ને ! સહજ હોવું જોઈએ. સહજ ભાવે જો વિષયો ભોગવે તો વિષયો વિષયોને જ ભોગવે છે. આ તો સહજ ભાવે ભોગવતા આવડતું નથી ને !

પ્રશ્નકર્તા : એટલે વિષયોમાં જે ખૂંપે છે, એમાં એની કંઈ હિંમત નથી કામ કરતી, એ તો એની આસક્તિ કરાવે છે.

દાદાશ્રી : ના, આપણને તેનોય વાંધો નથી. વાંધો નીડરતાનો છે. એટલે કે ‘હવે મને કંઈ નડવાનું નથી. હું ગમે તેમ વિષયો ભોગવું તો મને કશું થાય નહીં.’ એવું બેફામપણું થાય, તે બેફામપણાને આપણે નીડરતા કહીએ છીએ. આ લોકોએ વિષયોને ‘એકાંતિક વિષ’ કહ્યું છે. એટલે સંસારીઓ ‘ડિસ્કરેજ’ થઈ ગયા. એટલે પછી આ સંસારીઓને વિષ જ પીધા કરવાનું ને ? આ ત્યાગીઓ એકલાને જ વિષ નહીં પીવાનું ? આ સ્ત્રી-વિષય એકલો જ વિષય નથી. ત્યાગીઓનાય બધા વિષયો હોય છે અને આ સંસારીઓનેય બધા વિષયો હોય છે. પણ આ શાસ્ત્રોમાં એકલા સ્ત્રી વિષયને માટે આવું બધું ઝેર સમાન કહ્યું છે. પણ એથી લોકોને ગભરાવી માર્યા છે કે આપણે તો સંસારી માણસ, વિષયો વિષ જેવા છે તોય કરવા તો પડે છે ને, એટલે (મોક્ષે શી રીતે જવાશે) એ પછી એમને ખૂંચ્યા કરે. એ ગૂંચ કાઢી નાખવા જેવી છે ને ખૂંચ્યા કરે એ દુઃખ કહેવાય.

પ્રશ્નકર્તા : વિષયોમાં નીડરતા એ વિષ છે, તો નીડરતા ઉત્પન્ન થાય છે એ શામાં આવે ?

દાદાશ્રી : પોતે નીડરતા રાખે તો રહે. એ અહંકારમાં આવે કે ‘હું વિષયમાં જીતી ગયો, હવે વાંધો નથી આવે એવો.’ એનું નામ જ નીડરતા, એ અહંકાર કહેવાય. જો નીડર રહ્યો તો એ વિષ થઈ ગયું. આ વિષયમાં નીડર તો ઠેઠ સુધી નથી થવાનું. પોલીસવાળાના પકડ્યા વગર કોઈ જેલમાં ના જાય ને ? પોલીસ પકડીને જેલમાં લઈ જાય તો જ જાવ ને ? પોલીસવાળાના લઈ ગયા વગર જેલમાં જાય તો ના સમજીએ કે એ નીડર થઈ ગયો છે ? પોલીસવાળો પકડીને જેલમાં લઈ જાય તો એનો ગુનો નથી, એવું આ વિષયમાં સંજોગો એને ખાડામાં પાડે તો એનો વાંધો નથી. અબ્રહ્મચર્યની ગાંઠ ઓગળે તો બધું જાય. આ સંસાર બધો એના ઉપર જ ઊભો રહ્યો છે, રૂટ કૉઝ જ આ છે. આ લોકોના દુઃખ કાઢવા માટે, લોકોના મનમાંથી ભાર નીકળી જાય એટલા માટે આ જ્ઞાની પુરુષ એમ

(પા.૨૧)

કહે છે કે વિષયો એ વિષ નથી. તે તમને થાય કે ચાલો, આટલી તો નિરાંત થઈ !

વિષયોમાં નીડરતા એ વિષ છે. નીડરતા એટલે શું કે કેટલાંક માણસો કહે કે ‘દાદાએ મને જ્ઞાન આપ્યું છે, તો હવે મને કોઈ વિષય નડે નહીં. મારે તો ભોગવવાનો વાંધો જ નહીં ને ?’ તો ખલાસ થઈ ગયો. માટે વાતને સમજો.

પ્રશ્નકર્તા : નીડરતા આવે એટલે પછી સ્વચ્છંદીપણું આવી જાય ને?

દાદાશ્રી : સ્વચ્છંદીપણું આવે તે ઘડીએ જ માર ખવડાવી દે. એટલા માટે અમે આ બહાર ના પાડીએ, નહીં તો આ જવાનિયા છોકરાઓમાં ઊંધું થઈ જાય. આ તો તમારા જેવા કિનારે આવેલા હોય તેમને આ વાત કરીએ. જવાનિયા તો પાછું કંઈક ઊંધું બાફે ! પણ તેઓ જો ‘યથાર્થ જ્ઞાન’ સમજે અને એ જ્ઞાનમાં એ રહેતો હોય તો કશું અડે એવું નથી, પણ એ જ્ઞાન એટલું બધું રહે નહીં ને ! માણસનું એવું ગજું નહીં ને ! અનુભવ થયા સિવાય કામ નહીં. જ્યાં સુધી અનુભવ ના થાય ત્યાં સુધી આજ્ઞામાં રહેજો.

આ તો કોઈને મનમાં એમ શંકા પડતી હોય કે ‘સંસારમાં રહીએ છીએ ને વિષયો તો છે, તો કેમનું છે આ ?’ તો અમે તમને શંકા ના રહે એટલા માટે વાત કરીએ, નહીં તો આપણા લોકો તો દુરુપયોગ કરે. આજના લોકોને તો આ ગમતું જ હોય એટલે દુરુપયોગ કરી નાખે. કારણ કે વિપરીત બુદ્ધિ મહીં તૈયાર જ હોય. છતાં આ જ્ઞાન આપ્યું છે, એ ઓર જ જાતનું વિજ્ઞાન છે ! બધી રીતે એ રક્ષણ કરે એવું છે, પણ જો એ જાણી-જોઈને બગડવા ધારે તો બગડી જાય, બધું ખલાસ કરી નાખે ! એટલે અમે કહ્યું છે કે આ અમારી આજ્ઞામાં રહો. અમે તમને એટલે બધે ઊંચે તેડી ગયા છીએ કે અહીં ઉપરથી જો તમે ગબડ્યા તો પછી હાડકુંય જડે એવું નથી. માટે સીધા ચાલજો ને સહેજ પણ સ્વચ્છંદ કરશો નહીં. સ્વચ્છંદ તો આમાં ચાલશે જ નહીં !

‘મને દાદાનું જ્ઞાન મળ્યું છે, મને કંઈ નડનાર નથી.’ એ તો ભયંકર રોગ કહેવાય. એ તો વિષ સમાન થઈ પડશે. બાકી વિષયો એ વિષ નથી, વિષયોમાં નીડરતા એ વિષ છે. આ જ્ઞાન દુરુપયોગ કરવા જેવું નથી!

(આપ્તસૂત્ર - ૬૮૧)

ભૂખ મટાડવા માટે રોટલો ને શાક ખાવાનું છે, ટેસ્ટને માટે નહીં. ટેસ્ટને માટે ખાવા જશો તો રોટલો ને શાક ભાવશે નહીં. માટે એ વેદ થઈ જશે. ત્રણ વેદથી આ જગત આખું સડે છે.

ભૂખ શમાવવા માટે ખાવાનું છે. લાગેલી ભૂખ શમાવો. જ્યાં પૂરણ કરવાનું એ બધી ભૂખ કહેવાય. ભૂખ એ વેદના શમાવવાનો ઉપાય છે. એમ બધા વિષયો વેદના શમાવવાના ઉપાય છે. જ્યારે આ લોકોને વિષયનો શોખ થઈ ગયો. અલ્યા, શોખીન ના થઈ જઈશ. ત્યાં લિમિટ ખોળી કાઢજે ને નોર્માલિટીમાં રહેજે.

પ્રશ્નકર્તા : વેદ તરીકે નહીં લેવાનું, એ તમે શું કહેવા માંગો છો ?

દાદાશ્રી : લોકો વેદે છે એટલે ટેસ્ટ ચાખે છે. ટેસ્ટ માટે ચાખવું, ટેસ્ટને માટે ખાવું એ ભૂખ ના કહેવાય. ભૂખ મટાડવા રોટલો ને શાક ખાવાનું છે, ટેસ્ટને માટે નહીં. ટેસ્ટ માટે ખાવા જશો તો રોટલો અને શાક તમને ભાવશે જ નહીં. ટેસ્ટ લેવા ગયો માટે વેદ થઈ ગયો છે. ‘ભૂખ’ને માટે જ ‘ખાય’, એટલો તું ડાહ્યો થઈ જા. તો પછી મારે તને કશું કહેવું જ ના પડે ને ! ત્રણ વેદથી આ બધું જગત સડે છે, પડે છે.

(પા.૨૨)

(આપ્તસૂત્ર - ૬૮૩)

આ જગતમાં જીતવા જેવું શું ? આ ત્રણ વેદ જ છે. જેણે વેદ જીત્યો, તેણે આખું જગત જીત્યું. ત્રણ વેદ કયા ? સ્ત્રી વેદ, પુરુષ વેદ ને નપુંસક વેદ.

પ્રશ્નકર્તા : આ ત્રણ વેદનું સોલ્યુશન તો આખું જગત શોધી રહ્યું છે અને જેમ જેમ સોલ્યુશન કરવા જાય છે તેમ તેમ વધારે ગૂંચાય છે.

દાદાશ્રી : હા, એટલે સોલ્યુશન માટેના રસ્તાઓ, એ બધા ગૂંચારા વધારે છે. આજુબાજુવાળાને પૂછીએ કે ‘આ ભાઈ કેવા છે ? ત્યારે બધા કહે કે ‘બહુ સુખિયા છે.’ અને એમને પૂછીએ ત્યારે કહે, ‘બહુ દુખિયો છું.’ આ વેદને લઈને છે બધું. આખો દહાડો બળતરા, બળતરા... આ બધી બળતરા વેદને લઈને છે, નહીં તો મનુષ્યને બળતરા હોય નહીં. જેણે વેદ જીત્યો, તેનું કામ થઈ ગયું. આ જગતમાં જીતવા જેવું શું છે ? ત્યારે કહે કે વેદ. વેદને તું સમજી ગયો છું ? એ ત્રણ વેદ કયા ? પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ.

બળતરાને લઈને લોક વિષય ભોગવે છે, પણ જો વિચાર કરે તો વિષય નીકળે તેમ છે. જો આ દેહ ઉપરની ચામડી કાઢી નાખેલી હોય તો રાગ થાય ? આ તો ચામડીની ચાદર જ ઢાંકી છે ને ? અને પેટ તો મળપેટી છે. ચીરે તો મળ જ નીકળે. આ હાથ પરથી ચામડી નીકળેલી હોય ને પરુ નીકળતું હોય તો હાથ અડાડવાનું ગમે ? ના અડાડે. આ બધું અવિચારે કરીને જ છે. મોહ તો ગાંડપણ છે ! અવિચાર દશાને લઈને મોહ છે. મોહ એ નરી બળતરા છે.

એટલે આ કુદરતની રમતમાં ત્રણ વેદ જ ના હોત તો સંસાર જીતી જવાત. આ ત્રણ વેદ ના હોત તો શું બગડી જાત ? પણ બધું બહુ છે આનાથી તો. ઓહોહો ! એટલી બધી રમણતા છે ને એનાથી તો ! આ વિષયને વેદ તરીકે ના રાખ્યો હોત, જેમ આ ખોરાક ખાઈએ છીએ, એ રીતે એક કાર્ય તરીકે રાખ્યો હોત તો વાંધો નહોતો. પણ આ તો વેદ તરીકે રાખ્યો, વેદનીય તરીકે રાખ્યો. આ ડખો જ બધો ત્રણ વેદનો છે.

(આપ્તસૂત્ર - ૭૪૨)

ત્રણ પ્રકારના દારૂ : ૧. વિષયોની ઈચ્છાની મૂર્છા. ૨. દારૂનું પીણું ૩. કેફનો દારૂ - અહંકારનો કેફ, ‘હું હું’ કરે તે.

અમારી રીતે કોઈનેય આ ના સમજાય અને કહીએ તો બીજે દહાડે ભૂલી જાય. બાકી વિષય એ વિચાર્યા વગરની વાત છે. આ લોકો દેખાદેખીથી એમાં પડ્યા છે. ખાલી લોકસંજ્ઞા છે એ અને જ્ઞાનીની સંજ્ઞા, જો કદી જ્ઞાનીને પૂછયું હોય તો આમાં કોઈ પડે જ નહીં. એક પણ ઈન્દ્રિય આને ‘પાસ’ ના કરે. એટલે જ્ઞાનીઓએ કહેલું કે જ્યાં સુખ નથી, ત્યાં ક્યાં સુખ માની બેઠા છો ? પણ આ વિષયમાં એને મૂર્છા બહુ છે. એટલે મૂર્છાને લીધે એને ભાન નથી રહેતું. જેમ ડેવલપમેન્ટ વધારે ઊંચું, તેમ મૂર્છા ઓછી. આમાં શું ભોગવવાનું છે ? બધું ભોગવીને જ આવેલા છીએ. જેણે ઓછું ભોગવેલું તેને મૂર્છા વધારે.

મૂળ તો પોતે વિષયી છે, તેથી કપડાં વધારે મોહ કરે છે. પોતે વિષયી ના હોય તો કપડું કશું મોહ ના કરે. આ અહીં સારાં સારાં કપડાં પાથરીએ તો મોહ ઊભો થાય ? એટલે પોતાને વિષયની મઝા-આનંદ છે, એની ઈચ્છા છે, તેથી પેલો મોહ ઉત્પન્ન થાય છે. વિષયની ઈચ્છા વગરના માણસોને શી રીતે મોહ ઉત્પન્ન થાય ? આ મોહ કોણ ઊભો કરે છે ? પાછલાં પરિણામ મોહ ઊભા કરે છે. તે એને આપણે ધોઈ નાખીએ. બાકી કપડાં બિચારાં શું કરે ? પહેલાંનું બીજ નાખેલું છે, તેનું આ પરિણામ આવ્યું. પણ

(પા.૨૩)

એ બધા ઉપર મોહ ના થાય. હિસાબ હોય ત્યાં જ મોહ થાય. બીજે મોહના નવા બીજ પડે ખરા, પણ મોહ ના થાય. આ તો કપડાંને લીધે મોહ ઉત્પન્ન થાય છે, નહીં તો કપડાં કાઢી નાખે તો ઘણો ખરો મોહ ઓછો થઈ જાય. ફક્ત આપણી (ડેવલપ થયેલી) ઊંચી નાતોમાં જ મોહ ઓછો થઈ જાય. આ તો બિચારાને કપડાંને લીધે ભ્રાંતિ રહે છે અને કપડાં વગરનું જુએ તો એમ ને એમ વૈરાગ આવી જાય. તેથી આ દિગંબરીઓની શોધખોળ છે ને !

મૂર્છા ઊડી ગઈ પછી વાંધો નથી. મૂર્છા જ ઉડાડવાની છે. ‘મને મૂર્છા ઊડી ગઈ’ એવું બોલીએ તેથી કરીને કશું ના વળે, મૂર્છા તો એક્ઝેક્ટ જવી જ જોઈએ. અને તેય જ્ઞાની પુરુષની પાસે ટેસ્ટ કરાવી લેવું જોઈએ કે ‘સાહેબ, મારી મૂર્છા ગઈ કે નહીં, એ ટેસ્ટ કરી આપો.’ નહીં તો મહીં એવી એવી વકીલાતો ચાલે કે ‘બસ, હવે બધી મૂર્છા ઊડી ગઈ છે, હવે કોઈ વાંધો નથી !’ એટલે મહીં વકીલાતો કરનારા બહુ ને ! માટે જાગૃત રહેવું! અપરાધ થઈ જાય એવી જગ્યાએથી ખસી જવું. આત્મા તો આપ્યો છે અને એ આત્મા અસંગ સ્વભાવનો છે, નિર્લેપ સ્વભાવનો છે. પણ અનંત અવતારથી પુદ્ગલની ખેંચ છે. તમે જુદા થયા, પણ પુદ્ગલની ખેંચ છોડે નહીં ને ! એ ખેંચ જાય નહીં ને ! સ્ત્રી-પુરુષના આકર્ષણમાં એ જાગૃતિ ના રાખી, તો પુદ્ગલની ખેંચ એને અંધારામાં નાખી દે.

પ્રશ્નકર્તા : એ વિષયમાં રાગ થાય છે ત્યાં, એ શું છે ?

દાદાશ્રી : એ રાગ શાથી થાય છે ? હકીકતમાં આ જાણ્યું નથી તેથી. રાગ તો લોકોને પત્તાં પર બેસે છે, દારૂ પર બેસે છે, પણ હકીકત જાણે કે એ છૂટી જાય છે. એટલે હકીકત જાણવી પડે કે આ અહિતકારી છે, આ વસ્તુ સારી નથી, ખરેખર આમાં સુખ છે જ નહીં, આ તો ભાસ્યમાન સુખ છે, તો છૂટી જાય. દરાજ તને કોઈ દિવસ થયેલી કે? એ દરાજને વલૂરવામાં અને આમાં કોઈ જ ફેર નથી.

પ્રશ્નકર્તા : પણ આ સંસારના લોકોએ તો, પોતે એમાં સુખ માન્યું છે. એટલે બધાને પકડીને કહે છે, કે આમાં જ મજા છે, ચાલો !

દાદાશ્રી : આ લોકોએ તો વિષયની જાહેરાતો છાપી અને બધા લોકોને એ બાજુએ વાળ્યા. છતાંય જો બળતરા, જો બળતરા, તું મુંબઈમાં જા તો ખરો ! નાગા નાચગાન જુએ છે, તોય બળતરા ! અત્યારે તો બધું એ જ તોફાન ચાલી રહ્યું છે ને ! ને તેથી બળતરા પણ પાર વગરની ઊભી થઈ છે. એવી બળતરા ઊભી થઈ છે કે દારૂ પણ પીવો પડે, સ્ત્રી રાખવી પડે. બધુંય આપે તોય એને શાંતિ થાય નહીં. એટલે પછી એને મનમાં એમ થાય કે આપઘાત કરી નાંખીએ. પછી આખો દહાડો એ પી પી કર્યા કરે. પછી જો રાત-દહાડો બળતરા-બળતરા અને બળતરા! એવું થાય પછી!

માટે બહુ જ જાગૃત રહેવું. દારૂ તો એવું છે ને, ‘હું ચંદુભાઈ છું’ એ જ ભાન ભૂલી જાય છે ને ! તો પછી આત્મા તો ભૂલી જ જવાય ને! આથી ભગવાને આનાથી ડરવાનું કહ્યું છે. જેને સંપૂર્ણ અનુભવજ્ઞાન થાય એને ના અડે, છતાં ભગવાનના જ્ઞાનનેય ઉખાડીને બહાર નાખી દે ! એટલું બધું એમાં જોખમ છે !

એકાદ જો પાળવા જેવો કાયદો હોય તો હું કહું કે બ્રહ્મચર્ય પાળજે! ઈચ્છાઓ વિરમી જાય તો અંતરનો વૈભવ પ્રગટ થાય. આત્મા તો બ્રહ્મચારી જ છે. મેં આપેલો આત્મા બ્રહ્મચારી જ છે. હવે ‘તમારે’ ચંદુભાઈને કહેવાનું કે ‘ભઈ, તબિયત સારી રાખવી હોય, સંસાર ધીમે રહીને

(પા.૨૪)

પૂરો કરવો હોય તો છ-બાર મહિનાના બ્રહ્મચર્યવ્રત બને ત્યાં સુધી લેવાય તો સારી વાત છે. એનાથી શરીરનું બંધારણ સારું રહે.’ આ તો બંધારણ ‘લુઝ’ (ઢીલું) થઈ ગયું છે.

હું આ બધાને એટલા માટે બ્રહ્મચર્યની સમજ પાડું છું. કારણ કે ચારિત્રના પાયા ઉપર મોક્ષમાર્ગ ઊભો રહ્યો છે. આપણે ખાવું-પીવું હશે તેનો વાંધો નથી, માત્ર એક (પરસ્ત્રી,) દારૂ કે માંસાહાર નહીં કરવાનો. બીજું બધું ભજિયાં-જલેબી ખાવા હોય તો ખાજો, એનો ઉકેલ લાવી આપીશ. હવે આટલી બધી છૂટ આપવા છતાંય તમે આજ્ઞામાં સારી રીતે ના રહી શકો તો શું થાય ? આપણે અહીં તો શું કરવાનું કહ્યું છે કે તને શાંતિ શેનાથી આવે છે, તે તું કર. તું ભાવતી થાળી બીજાને ના આપી દઈશ, નિરાંતે ખાજે. આપણે તો ચારિત્રનો પાયો મજબૂત રાખવો. મોક્ષે જવામાં એ એકલી જ વસ્તુ મૂળ વસ્તુ છે.

પ્રશ્નકર્તા : જ્ઞાનનો અહંકાર શું કરવા નડે છે ?

દાદાશ્રી : જાણપણાનો અહંકારને ? એવું છે, અહંકાર એવો હોવો જોઈએ કે જાણપણું વધે. તેને બદલે આ તો જાણપણા ઉપર આવરણ આવે છે, એવો અહંકાર છે. જાણપણામાં અહંકારથી અંધ થઈ જાય. જાણપણું ખોવાઈ જાય, એ અહંકાર બહુ નુકસાન કરે, બધી રીતે નુકસાન કરે.

પોતે જાણવાનું બાકી છે તોય કહેશે, ‘ના, હું જાણું છું.’ એટલે એક તો જાણવાનો કેફ આવ્યો તો આવરણ ચઢે અને પછી નવું જાણવાની જીજ્ઞાસા તૂટી જાય.

‘હું કંઈક જાણું છું’ એવો જરાક વિચાર આવે તો આવરણ આવે. એટલે પાછી અજાગૃતિ લાવી નાખે.

(આપ્તસૂત્ર - ૩૨૬૫)

આ સુખ ક્યાંથી આવે છે ? વિષયોમાંથી, માનમાંથી, લોભમાંથી... ક્યાંથી આવે છે ? એમાં કશામાંથી ના આવે તો સમજવું કે આ સમકિત છે.

જેટલું ઊંધું ચાલ્યા તેટલો ‘ઈગોઈઝમ’ (અહંકાર) વધે ને જેટલો ‘ઈગોઈઝમ’ ઓગળે તેટલું સુખ વર્ત્યા કરે. અમારે ‘ઈગોઈઝમ’ ખલાસ થઈ ગયો હોય, તેથી નિરંતર સનાતન સુખ રહે. દુઃખમાંય સુખ રહે તે ખરું સુખ. કોઈ અપમાન કરે ત્યારેય પોતાને મહીં સુખ લાગે, ત્યારે એમ થાય કે ‘અહોહો ! આ કેવું સુખ !’

આત્મામાં પરમ સુખ જ છે, પણ કલુષિત ભાવને લીધે એ સુખ આવરાય છે. આ સુખ ક્યાંથી આવે છે ? વિષયોમાંથી ? માનમાંથી ? ક્રોધમાંથી ? લોભમાંથી ? આ કશામાંથી ના આવે તો સમજવું કે આ સમકિત છે.

જ્યાં કંઈ પણ દુઃખ થતું નથી ત્યાં આત્મા છે.

આ ગળ્યું ખાવ પછી ચા પીવો તો મોળી લાગે ને ? ચાને અન્યાય નથી કરતા ? ચા તો ગળી છે, પણ મોળી કેમ લાગે છે ? કારણ એથી ગળ્યું પહેલાં ચાખ્યું છે, તેમ અમે અનુપમ મીઠાશવાળું જ્ઞાન આપીએ છીએ પછી તમને જગતમાં તમામ વિષયી સુખો મીઠાં હોવા છતાં મોળા લાગશે. લોકોમાં કહેવત છે કે ટાઢિયો તાવ ચઢે, મેલેરિયા થાય ત્યારે દૂધપાક કડવો લાગે છે. તે તેનું મોઢું કડવું છે તેથી કડવું લાગે છે, તેમાં દૂધપાકનો શો દોષ ? તેમ અમારા આપેલા ‘અક્રમ જ્ઞાન’થી જેમ તાવ ઉતરશે, ત્યારે આખા જગતના વિષયો નિરસ થતાં જતાં લાગશે. વિષયો નિરસ થતા જવા એ થર્મોમિટર છે, પોતાનો તાવ તો ખબર પડે!

(પા.૨૫)

(આપ્તસૂત્ર - ૩૬૨૯)

આપણને ‘શુદ્ધાત્મામાં જ સુખ છે’ એવું યથાર્થપણે સમજાઈ જાય તો વિષયમાં સુખ ના રહે.

વિષયમાં તો સુખ હોતું હશે ? સુખ તો મહીં છે, પણ આ તો બહાર બીજાનામાં આરોપ કરે છે તેથી ત્યાં સુખ લાગે છે. ભ્રાંતિરસથી આ બધું ઊભું થયું છે. ભ્રાંતિરસ એટલે શું કે આ કૂતરું જેમ હાડકાંને ચૂસે છે, તે તમે જોયેલું ? હાડકાં ઉપર થોડુંઘણું માંસ હોય તે તો જાણે કે મળી જાય, પણ હવે પછી શું કરવા ચૂસ ચૂસ કરે છે ? પછી ખૂબ દબાવે ને, તે હાડકું તો આમ લોખંડ જેવું હોય. તે શું થાય કે એના પિઢિયાં દબાય ને એમાંથી પછી લોહી નીકળે. લોહીને એ જાણે કે હાડકાંમાંથી નીકળ્યું. એટલે પાછું ખૂબ ચાવી ચાવીને હાડકું ખાય. અલ્યા, તારું જ લોહી તું ચૂસે છે. એવી રીતે આ સંસાર ચાલી રહ્યો છે. એવું આ લોકો હાડકાં જ ચૂસી રહ્યા છે ને પોતાનું જ લોહી બધું ચાખી રહ્યા છે.

બોલો, હવે કેટલી બધી મુશ્કેલી છે ! એવી રીતે જગત આખું વિષયમાંથી સુખ ખોળી રહ્યું છે. કૂતરાની પેઠ વિષયમાંથી સુખ ખોળી રહ્યું છે. તે કેમ કરીને એ સુખ જડે ? સાચી વસ્તુ હોય તેમાંથી સુખ જડે. આ તો બધું કલ્પિત સુખ છે, આરોપિત સુખ છે. તાપમાં બહુ થાકેલો માણસ બાવળિયા નીચે છાયડામાં બેસે ને, તો કહે, ‘મને બહુ જ આનંદ આવ્યો’તો.’ એટલે વિષય સુખ એ બધો એવો આનંદ છે. આનંદ નિરુપાધિ પદનો જોઈએ. આ બધા આનંદ અપેક્ષાએ છે. માણસ થાકેલો હોય, તાપમાં બહુ તપેલો હોય, તે પછી એને કહીએ કે ‘બાવળિયા નીચે ફાવશે?’ તો કહે, કે ‘બહુ સરસ ફાવશે.’ હવે આ આનંદને આનંદ કહેવાય જ કેમ?

લોકોએ વિષયમાં સુખ માન્યું છે, એવું પોતેય આમાં સુખ માન્યું છે. એમાં બિલકુલેય સુખ માનવા જેવું નથી. જ્ઞાનીની સંજ્ઞાથી જુએ તો એમાં તદ્દન દુઃખ છે. એટલે એની તો વાત જ નથી કરવા જેવી, એની વાત કરે તોય માણસ વૈરાગ લઈ લે. ‘જ્ઞાની પુરુષ’ની પાસે જો કદી આ બ્રહ્મચર્ય સંબંધી વાત સાંભળે તો વૈરાગ લઈ લે. વિષયનું સંપૂર્ણ વર્ણન કરવામાં આવે તો માણસ સાંભળતા ગાંડો થઈ જાય, એટલું બધું એ જોખમ છે. જેને આંતરિક સુખ હોય તે અબ્રહ્મચર્ય કરે જ નહીં. આ તો આંતરિક દુઃખને લઈને અબ્રહ્મચર્ય કરે છે.

જગતના લોકોએ કહ્યું, ‘પરસ્પર દેવો ભવઃ’ અલ્યા, પણ ક્યાં સુધી પરસ્પર ? એટલે નિરાલંબ જે સુખ છે, તેય વાત જ જુદી ને ! અરે, શુદ્ધાત્માનું સુખ છે, તેય વાત જ જુદી ને ! ‘હું શુદ્ધાત્મા છું’ કહ્યું કે બહારનો વિચાર બધો ખરી પડે. જેને ‘શુદ્ધાત્મામાં જ સુખ છે’ એવું યથાર્થપણે સમજાઈ જાય, તેને વિષયમાં સુખ ના રહે.

પુણ્યૈથી ઈન્દ્રિયોના સુખ બધા ભેગા થાય. એમાં પછી ભોગવવાની લાલસા માટે કપટ ઊભું થાય ને કપટથી સંસાર ઊભો રહ્યો છે. જ્યાં સુધી વિષય છે, ત્યાં સુધી આ આત્મસુખ અને આ પૌદ્ગલિક સુખ એ ભેદ સમજવા નહીં દે.

પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન પછી ખાલી એકલી ‘બિલીફ’ જ ફેરવવાની છે ?

દાદાશ્રી : હા, પણ એવું છે ને, રાઈટ શ્રદ્ધા ક્યારે પૂરી બેઠી કહેવાય કે રોંગ શ્રદ્ધા બધી જ ઊડી જાય ત્યારે ! હવે મૂળ રોંગ બિલીફ અમે ઉડાડી પણ આ વિષયમાં તો અમે થોડી-ઘણી રોંગ શ્રદ્ધા ફ્રેકચર કરી આપીએ! બાકી બધું ફ્રેકચર કરવા અમે કંઈ નવરા છીએ ?

એટલે વિષયમાંથી રસ ક્યારે નિર્મૂળ થાય કે પહેલું તો પોતાને એમ લાગે કે આ મરચું ખાઉં છું એ મને નડે છે, આવી રીતે નુકસાન કરે છે. એવું એને સમજાવું જોઈએ. જેને મરચાંનો શોખ હોય, તે તેને જ્યારે ગુણ-અવગુણ સમજાઈ જાય

(પા.૨૬)

ને ખાતરી થાય કે મને નુકસાન જ કરે છે, તો એ શોખ જાય. હવે આપણને ‘શુદ્ધાત્મામાં જ સુખ છે’ એવું યથાર્થપણે સમજાઈ જાય તો વિષયમાં સુખ જ ના રહે. છતાંય વિષયમાં સુખ લાગે છે, એ પહેલાંનું રીએક્શન છે !

પ્રશ્નકર્તા : વિષયમાં સુખ છે, એ ‘બિલીફ’ પડી છે તે કેવી રીતે નીકળે ?

દાદાશ્રી : આપણને આ ચા સરસ મીઠી લાગે છે, એ આપણો રોજનો અનુભવ છે. પણ જલેબી ખાધા પછી કેવી લાગે ?

પ્રશ્નકર્તા : મોળી લાગે.

દાદાશ્રી : એટલે તે દહાડે આપણને સમજણ પડી ગઈ, બિલીફ બેસી ગઈ કે જલેબી ખાધી હોય તો ચા મોળી લાગે. એવી રીતે આત્માનું સુખ હોય છે, ત્યારે બીજું બધું મોળું લાગે.

(આપ્તસૂત્ર - ૨૧૪૧)

આ જગતનો ન્યાય કેવો છે ? જેને લક્ષ્મી સંબંધી વિચાર ના હોય, વિષય સંબંધી વિચાર ના હોય, જે દેહથી નિરંતર છૂટ્ટો જ રહેતો હોય, તેને ભગવાન કહ્યા વગર નહીં રહે.

વિષય બાજુના વિચારો કોઈ દહાડો ના આવતા હોય તો, એની વાત જ જુદી ને ! કારણ કે પૂર્વ ભવે ભાવના કરી હોય તો વિચાર ના આવે. અમને બાવીસ-બાવીસ વર્ષથી વિષયનો વિચાર જ નથી આવ્યો. જ્ઞાન થતાં પહેલાંના બે વર્ષ તો વિષયનો વિચાર સુદ્ધાં નહીં આવેલો. અમારાથી વિષય-વિકારી સંબંધ નહોતા થયા. વિકારી સંબંધમાં અમને એ મિથ્યાભિમાન હતું કે અમારાથી આ ના થાય. અમારા કુળના અભિમાનથી આ ઘણું સચવાઈ ગયેલું. એટલે બ્રહ્મચર્ય એ ઊંચામાં ઊંચી વસ્તુ છે. એના જેવી કોઈ ઊંચી વસ્તુ જ નથી ને!

હવે અનુપમ પદ છોડી ઉપમાવાળું પદ કોણ લે ? જ્ઞાન છે તો પેલો આખા જગતનો એંઠવાડો કોણ અડે ? જગતને પ્રિય એવા જે વિષયો એ જ્ઞાની પુરુષને એંઠવાડો લાગે. આ જગતનો ન્યાય કેવો છે કે જેને લક્ષ્મી સંબંધી વિચાર ના હોય, વિષય સંબંધી વિચાર ના હોય, જે દેહથી નિરંતર છૂટો જ રહેતો હોય, તેને જગત ભગવાન કહ્યા વગર રહે નહીં!

(આપ્તસૂત્ર - ૬૮૪)

એક વિષયમાં જે અટક્યો, તે ‘ભગવાન’ થઈને ઊભો રહ્યોને વિષયમાં લટક્યો, તે સીધો નર્કે જ ગયો !

આ વિષયને લીધે જ બધી રીતે અંતરાયું છે ને આ જ મહા રોગ છે.

માટે હવે કંઈક ઉકેલ લાવો. અનાદિથી માર ખા ખા કર્યો છે અને એમાં બળ્યું શું સુખ છે ? સાત્ત્વિક રૂપે તપાસ ના કરીએ કે આમાં કશું સુખ દેખાતું નથી ? ઊલટું મૂર્ખાઈ થાય છે, ફૂલિશનેસ થાય છે. વિષયમાં અટક્યો તો ભગવાન થઈને ઊભો રહે અને જો વિષયમાં લટક્યો તો અધોગતિમાં નર્કે જતાંય પાર નહીં આવે, એવું અમે જ્ઞાનથી જોયેલું છે. હવે તમને ખાતરી થઈ ગઈ ને ? આજે તમને આ ખોટું થયું છે, એવું જ્ઞાન થઈ ગયું ને ? આ કંઈ જેવું તેવું જ્ઞાન ના કહેવાય. ‘આ ખોટું છે’ એવું જ્ઞાન થયું, એનું નામ જ અમે ‘જ્ઞાન’ કહીએ છીએ. પાછો ફરવા માંડ્યો એટલે પોતે કામ કાઢી નાંખે. આ તો કોઈ દીવો ધરનાર જોઈએ. દીવો ધરનાર ના હોય તો શું થાય ?

‘જ્ઞાની પુરુષ’ને કેવું સરસ દેખાતું હશે ! બધે શુદ્ધાત્મા જ દેખાય. અમે નવમા ગુંઠાણામાંથી દસમા ગુંઠાણામાં જ્યારે ખસ્યા, ત્યારથી એય પાર વગરનું સુખ અનુભવ્યું. એ સુખનો એક છાંટો જો બહાર પડે ને માણસ એ ચાખે તો વરસ દહાડા સુધી તે પરમ સુખિયો થઈ જાય !

જય સચ્ચિદાનંદ