સ્પર્ધા, પછાડે સંસારમાં

સંપાદકીય

જ્યાં સુધી અજ્ઞાન દશા છે ત્યાં સુધી અહંકાર જીવતો છે, અને ત્યાં સુધી એ કંઈક ને કંઈક કરવાપણામાં હોય જ. હું કંઈક કરું, હું કંઈક આગળ વધું, હું કંઈ મોટો થઉં અને ના હોય તો બીજા લોકોના સંપર્કથી, દેખાદેખીથી પેલા કરતાં હું વધારે સારો થઉં એવું થઈ જ જાય અને સ્પર્ધા જન્મે. અને પોતે આગળ વધે, તેનો વાંધો નથી. પણ આ તો પોતે આગળ વધવાની શક્તિ ધરાવતો નથી તેથી બીજાને પછાડીને, બીજાને અટકાવીને પોતે આગળ વધવા જાય છે. પોતાનામાં સુપિરિયારિટીના ગુણો છે નહીં, તેથી એ બીજાની સુપિરિયારિટીને તોડી, એને પોતાના કરતાં ઇન્ફિરિયર કરવા જાય છે. તો જ પોતે પેલા કરતાં સુપિરિયર બનેને ? અને તેમાંથી પછી સ્પર્ધા જાગે. વેર બંધાય ને સંસારમાં ભટકાવે !

આ હાઈવે ઉપર ગાડીઓ જાય છે તેમાં આપણી ગાડી પાસેથી કોઈ આગળ જતો રહે તો તરત મનમાં ખૂંચે કે એ આગળ જતો રહ્યો ? તો તરત પોતે પોતાની ગાડીની ઝડપ વધારી પેલાની ગાડી કરતાં આગળ જતો રહે, ત્યારે પોતાને સંતોષ થાય કે જો હું કેવો આગળ વધી ગયો પેલાં કરતાં ! અરે, પણ આ રસ્તા ઉપર તો લાખો ગાડીઓ આપણા કરતાં આગળ જતી રહી છે. ત્યાં કેમ સ્પર્ધા નથી જાગતી ? પણ જો કોઈ જોડે આવ્યો, ને પોતાની બુદ્ધિએ અવળું દેખાડ્યું કે સ્પર્ધા જાગે ! એવું દરેક જીવ મોક્ષમાર્ગમાં વહી રહ્યા છે, તેમાં આગળ કેટલાંય જીવો કેવળજ્ઞાન પામી મોક્ષપદ પામ્યા. પણ આ તો નજીકના સંપર્કમાં આવ્યા હોય ત્યાં સ્પર્ધા જાગે.

જેને મોક્ષે જવું છે તેને તો જગત ગાંડા કહે - મારે, કાઢી મૂકે તો ય ત્યાં હારીને બેસી જવું. સામાને જીતાડીને જગત જીતી જવાની જ્ઞાનીઓની રીત !

આવડતવાળાઓ તો ઘોડદોડમાં હાંફી મરે. એના કરતાં આવડત જ નથી કરીને બાજુએ બેસી રહેવામાં મઝા છે. જ્ઞાની પુરુષ દાદાશ્રી તો ચોખ્ખે ચોખ્ખું કહી દે છે કે અમને દાઢી કરતાં ય નથી આવડતી, આટલાં વર્ષે ય !

રેસકોર્સના સરવૈયામાં સાર શું સાંપડ્યો ? આજે પહેલો નંબર આવે તો ય પાછો છેલ્લો નંબર ક્યારે તો આવવાનો જ. રેસકોર્સમાંથી ખસી જતાં જ વ્યક્તિત્વ ઝળકવા માંડશે. રેસકોર્સને ને પર્સનાલિટીને બંનેને મેળ પડે નહીં ! જેને મોક્ષે જવું છે, પોતાની પ્રગતિ રૂંધાવા દેવી નથી, તેણે પરમ પૂજ્ય દાદાશ્રીની વાત પ્રસ્તુત સંકલનમાં કહી છે તે ટૂંકમાં સમજી લેવા જેવી છે !

દીપકના જય સચ્ચિદાનંદ

આમને ક્યાં પહોંચી વળાય ?

આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી તમને નિરંતર શુધ્ધાત્માનું ધ્યાન રહે. એટલે રોજ સાંજે આપણે પૂછવું કે, 'ચંદુભાઈ છો કે શુધ્ધાત્મા ?' તો કહેશે કે, 'શુધ્ધાત્મા !' તો આખો દહાડો શુધ્ધાત્માનું ધ્યાન રહ્યું કહેવાય.

પ્રશ્નકર્તા : આપણે આવું કહીએ ત્યારે લોક આપણને ગાંડા કહેશે.

દાદાશ્રી : ગાંડા કહેશે તો 'ચંદુભાઈ'ને ગાંડા કહેશે. તમને તો કોઈ કહે જ નહીં. તમને તો ઓળખે જ નહીં ને ! 'ચંદુભાઈ'ને કહે. તો 'આપણે' કહીએ કે, 'ચંદુભાઈ, તમે હશો તો કહેશે અને તમે નહીં હો ને કહેશે તો એની જોખમદારી. એ પછી તમારી જોખમદારી નહીં.' એવું 'આપણે' કહેવું.

પ્રશ્નકર્તા : આપણને કોઈ કશું કહે, ગાંડા કહે, અક્કલ વગરના કહે, તો ગમે નહીં.

દાદાશ્રી : એવું છેને, આપણે હસવું હોય તો લોટ ના ફકાય ને લોટ ફાકવો હોય તો હસાય નહીં. બેમાંથી એક રાખો. આપણે મોક્ષે જવું છે, તે લોક ગાંડા ય કહેશે ને મારે ય ખરા, બધું ય કરે. પણ આપણે આપણું છોડી દેવાનું.

એટલે આમને ક્યાં પહોંચી વળાય ? આ તો બધી મગજમારી કહેવાય. આ દેહને માર પડે એ સારો, પણ આ તો મગજને માર પડે. એ તો બહુ ઉપાધિ !

જગતની મીઠાશ જોઈએ છે અને આ ય જોઈએ છે, બે ના થાય. લોક તો એની ભાષામાં જવાબ આપશે. 'મોટા શુધ્ધાત્મા થઈ ગયા છો ?' એવી તેવી ગાળો હઉ ભાંડશે. કારણ કે લોકનો સ્વભાવ એવો છે. પોતાને મોક્ષે જવાનો માર્ગ મળ્યો નથી એટલે બીજાને ય જવા ના દે, એવો લોકનો સ્વભાવ. આ જગત મોક્ષે જવા દે એવું છે જ નહીં. માટે આમને સમજાવીને-પટાવીને છેવટે હારી જઈને ય કહેવું કે, 'અમે તો હારી ગયેલા છીએ.' તો તમને છોડી દેશે.

નહીં તો પ્રગતિ રૂંધાય !

અમે અમારો 'પ્રોગ્રેસ' છોડીએ નહીં. અમે એક વખત વિનંતી કરી જોઈએ. બાકી, અમે તો વાત છોડી દઈને આગળ ચાલવા માંડીએ. અમે ક્યાં સુધી બેસી રહીએ ?! અમે તમને સમજ પાડીએ. પણ જો તમે તમારી પકડ પકડો તો અમે તરત છોડી દઈએ. અમે જાણીએ કે આમને દેખાતું નથી, તો આપણે ક્યાં સુધી બેસી રહીએ ? બેસી ના રહેવું જોઈએને ? આપણે આપણી ચાલતી પકડવી જોઈએને ? કારણ કે એને આગળ દેખાતું જ નથી ને !

અહીંથી ત્રણસો ફૂટ છેટે એક સફેદ ઘોડો લઈને કોઈ માણસ ઊભો હોય અને આપણે કોઈકને પૂછીએ કે ભઈ, પેલું શું ઊભું છે ? ત્યારે એ કહેશે કે, 'ગાય ઊભી છે.' તો આપણે પેલાને મારવો જોઈએ ? આ પેલા ઘોડાને એ ગાય કહે છે ને ? માટે એને મારવો જ જોઈએને ? ના ! એની એવી 'લોંગ સાઈટ' ના હોય, એમાં એનો બિચારાનો શો દોષ ? એ તો સારું છે ને, કે ગધેડો નથી કહેતો ! નહીં તો એ ગધેડો કહે તો ય આપણે 'એક્સેપ્ટ' કરવું પડે. એને જેવું દેખાયું તેવું એ કહે છે. એવું છે આ જગત ! સહુ સહુને, જેને જેવું દેખાયું એવું એ બોલે છે.

આ ઘોડાના દ્રષ્ટાંત પરથી વાતને તમે સમજી ગયા ને ? જેવું દેખાય એવું જ બોલેને, લોક ? એમાં એનો દોષ ખરો ? આપણે સમજી લેવું કે એને બિચારાને દેખાય છે જ આવું, માટે આ આવું બોલે છે. તો આપણે કહીએ કે હા ભઈ, તારી દ્રષ્ટિથી આ બરોબર છે. ત્યાં આપણે એમ પણ ના કહેવું જોઈએ કે ના, અમારી દ્રષ્ટિથી અમારું બરાબર છે. એટલું જ કહેવાય કે તારી દ્રષ્ટિથી બરાબર છે. નહીં તો પાછો કહેશે કે, 'ઊભા રહો, ઊભા રહો. તમારી દ્રષ્ટિથી શું છે એ મને કહો.' એમ પાછો ઊલટો બેસાડી રાખે. એનાં કરતાં તારી દ્રષ્ટિથી બરોબર છે, કહીને આપણે હેંડવા જ માંડવાનું !

અમે આમ દેખાઈએ ભોળા, પણ બહુ પાકા હોઈએ. બાળક જેવા દેખાઈએ, પણ પાકા હોઈએ. કોઈની જોડે અમે બેસી ના રહીએ, ચાલવા જ માંડીએ. અમે અમારો 'પ્રોગ્રેસ' ક્યાં છોડીએ ?

'જ્ઞાની પુરુષ' પાસે હિતની વાત હોય. એમની પાસે બે શબ્દ સમજી લે ને, તો બહુ થઈ ગયું ! બે શબ્દ સમજવામાં આવે, ને એમાંથી એક જ શબ્દ જો કદી હ્રદયમાં પહોંચીને પચી જાય તો એ શબ્દ મોક્ષે લઈ જતાં સુધી એને છોડે નહીં. એટલું વચનબળવાળું હોય, એટલી વચનસિદ્ધિ હોય એ શબ્દની પાછળ !

આમ ઘોડદોડમાંથી છટકાય !

સ્પર્ધા વગર સંસારમાં રહેવાય નહીં. એ સ્પર્ધા જાય એટલે છૂટકારો થઈ ગયો. આ ઉપવાસ કરે છે એ ય બધું સ્પર્ધાના ગુણથી ઊભા થાય. 'પેલાએ પંદર કર્યા તો હું ત્રીસ કરું.' છતાં એ ટીકા કરવા જેવી વસ્તુ નથી.

હવે આ બધું ચાલ્યા જ કરવાનું. એમાં પોતે ચલાવતો જ નથી. આ તો જરા ગર્વરસ ચાખવાની ટેવ પડેલી ને ! એટલે બીજાનો આઠસોનો પગાર દેખે ને, એટલે મનમાં એમ થાય કે, 'આપણને તો અઢારસો મળે છે એટલે આપણને વાંધો નથી, આને તો આઠસો જ મળે છે !' એ ચાલ્યું ! જાણે અઢારસો ઉપર કોઈ ઊપરી જ ના હોયને, એવું ! જ્યાં ઉપરી હોય ને, ત્યાં સ્પર્ધા હોય જ ! ત્યાં ઊભા રહેવાનું કારણ જ શું આપણે ? આ કંઈ 'રેસકોર્સ'માં આવ્યા છીએ ?! આપણે શું 'રેસકોર્સ'ના ઘોડા છીએ ?! એના કરતાં ત્યાં કહી દે ને, હું સાવ મૂરખ છું. અમે તો કહી દઈએ છીએ ને, કે 'ભઈ, અમારામાં અક્કલ નથી, અમારામાં આ બધા વ્યવહારની સમજણ નહીં ને !' અને એ ચોખ્ખી જ વાત કરી દઈએ છીએ ને !

અને એવું છે, અમને તો દાઢી કરતાં પણ નથી આવડતી. ત્યારે આ બ્લેડથી છોલાઈ જાય છે ને ! અને જેને દાઢી કરતાં આવડે એવો માણસ પણ અમે જોયો નથી ! આ તો મનમાં શું ય 'ઇગોઈઝમ' લઈને ફર્યા કરે છે ! આવું તો મારા જેવા જ કોઈક કહે ને ? બાકી, સામે તો આખી દુનિયા છે. થોડાં ઘણાં માણસ હોય તો તો 'વોટિંગ' મળે. પણ આ તો 'વોટિંગ'માં હું એકલો જ થઉં. એટલે પછી હું બૂમ મારું નહીં. ચૂપ રહું. કારણ કે 'વોટિંગ'માં હું એકલો જ આવું. બાકી, આવી ચેતવણી કોણ આપે ? અને હું ક્યાં ચેતવણી આપવા બેસું ? એટલે કેવી દુનિયામાં આવી ફસાયા છીએ.

આ વાતો સાંભળવાની તમને ગમે છે ? કંટાળો નથી આવતો ? અને આ વાતને ચાળશો નહીં, ચાળવા ના રહેશો. એમ ને એમ 'મહીં' નાખી દેજો. નહીં તો જોખમદારી તમારી આવશે. આ તો અહીં 'પ્યૉર' વસ્તુ છે. એને બુદ્ધિથી શું ચાળવાની ?

એટલે અમે આ ચોખ્ખું જ કહીએ છીએ ને, કે 'ભઈ, અમને આ વ્યવહારમાં આવી સમજણ પડતી નથી.' એટલે ત્યારે જ અમને એ છોડે ને ! આવું કહીએ ત્યારે ઉપાધિ મુક્ત થઈએ ને !!

આને આવડત કેમ કહેવાય ?

બાકી, સમજણવાળા તો અહીં બધા બહુ મળી આવે ને ! એવાં હોય છે ને, તે એ કહેશે, 'સાહેબ, તમારો કેસ હું જીતી આપું. બસ, ત્રણસો રૂપિયા આપી દેજો.' એવું કહે છે ને ? ઘરનું ખાય-પીએ, બાઈડીની ગાળો ખાય અને આપણા માટે કામ કરે ! હવે તો મોંઘવારી વધી ગઈને ? તે વધારે રૂપિયા લેતા હશેને ?!

અને આ બધા હિન્દુસ્તાનના લોક છે ને, તે ય પોતાની સમજણે કરે છે. કોઈની પાસે બધું પૂછીને શીખ્યા નથી, કે ''આ 'મશીનરી'નું આ બટન દબાવવાથી શું થાય ? પેલું બટન દબાવવાથી શું થાય ? પેલું બટન દબાવવાથી શું થાય ?'' એનાં 'ટેકનિશિયન' પાસે પૂછીને કોઈ તૈયાર થતું નથી. આ તો બધું ઠોકાઠોક ચાલ્યું છે. હિન્દુસ્તાનના લોકોને તો 'રેઝર' પણ કેમ ચલાવવું તે ય તેમને નથી આવડતું. પાનાને ધાર કેટલી જોઈએ, કેટલી નહીં તે ય ના જાણે. આમ ઘસાઈ ગયું એટલે થઈ ગયું ?! અને વખતે બહુ ચીકણો હોય તો પથ્થરને ઘસ ઘસ કરે, તે ઊલટી ધાર હોય તે ય ઊડી જાય. બીજા ફોરેનવાળા તો કેવા છે ? વિકલ્પી નહીં ને ! ઉપર લેબલ લખ્યું હોય કે આ બ્લેડ કેવી રીતે વાપરવાની ! આ 'રેઝર' પર નંબર કેમ લખ્યા છે ? એ બધું જ એનાં 'ટેકનિશિયન'ને પૂછે અને એની સલાહ પ્રમાણે કર્યા કરવાનું. અને આપણા અહીંના તો વિકલ્પી, દોઢડાહ્યા ! વહુ કહેશે કે, 'હું હમણે મંદિરે જઈને આવું છું.' ત્યારે આ કહેશે કે, 'હું કઢી કરી રાખીશ.' તે કરે ય ખરો. પણ તે શાનો ય વઘાર કરે, તે આપણું મોઢું બગડી જાય !

આવડત વિનાના થયાં સંસારમાં !

કોઈ અહીં રેડિયો વગાડતા હોય ને તમે બધાં અહીંથી ઊઠી જાવ તો નાનાં છોકરાં મને કહેશે કે, 'આ રેડિયાને જરા ફેરવો ને !' ત્યારે હું કહી દઉં કે મને નથી આવડતું. કારણ કે હું તો પહેલું પૂછું અને પૂછીને પછી શીખું. હું જાતે એમ ઠોકાઠોક કરું નહીં.

આ 'રેઝર'માં હું પૂછું, પણ એમાં એને જ કોઈ 'ટેકનિશિયન' ના મળ્યો હોયને ! તે મને શીખવાડે કે આમ ફેરવવાનું ને તેમ ફેરવવાનું. આવડી ગયું મને, બધું પહોંચી ગયું મને (!) તું યે ડફોળ ને હું યે ડફોળ !! ને 'ટેકનિશિયન' મળ્યા વગર હું કોને પૂછું ? આ લોકો તો ગાંયજો ના મળે તો કહેશે, 'એમાં શું કરવાનું ?' તે જાતે વાળ કાપવા બેસી જાય એવાં આ લોક ! અલ્યા, આમ આમ કર્યું તે થઈ ગયું ? એવું હોત તો એ કારીગીરી કહેવાત જ નહીં ને ! કળા જ કહેવાત નહીં ને ! આ બધા લોકો શીખેલા હોય તે કેવું ? ઠોકાઠોક કરીને !

આ ફોરેનવાળાઓએ મશીનરી બનાવી છે, તે જાણતા હતા કે આ હિન્દુસ્તાનનાં લોક વિકલ્પી છે, બગડી ના જવું જોઈએ એ રીતે બનાવે છે. એ લોકો 'ફેક્ટર ઓફ સેફટી' મૂકી રાખે છે ! આ વિકલ્પી લોકો છે ને ! વિકલ્પી લોક ના હોતને, તો 'ફેક્ટર ઓફ સેફટી'ની આટલી બધી જરૂર ના પડત. પણ આ તો શું નું શું ય દબાવી દે. આ મકાનોના કામમાં સ્લેબો ભરવાના હોય, તેમાં ય 'ફેકટર ઓફ સેફટી' એટલી બધી વધારે મૂકે છે, નહીં તો લોકો ઘરમાં ગાંડી રીતે ભરશે ને એ પડી જશે તો શું થશે ?! અરે, ગાંડું ભરે તો ય મકાન પચાસ વર્ષ સુધી ચાલે એટલી બધી તો 'ફેકટર ઓફ સેફટી' રાખેલી હોય છે.

જે બહુ ચીકણા હોય, તે એમ સમજે કે અમને 'રેઝર' બહુ સરસ વાપરતાં આવડે છે ! તે એ પથરી પર બ્લેડ ઘસ ઘસ કરે. અલ્યા, ન્હોય આ પથરી પર ઘસવા જેવી ચીજ ! પથરીને ને એને સાઢુ-સહિયારું નથી. એ વાપરતાં આવડે તો બહુ અજાયબ ચીજ છે. મેં એક ફેરો કહ્યું કે આ બ્લેડ મને વાપરતાં નથી આવડતી, તમને ય વાપરતાં નથી આવડતી. તે આપણે હવે આ કોને પૂછવા જઈએ ? તમે તો બ્લેડ સ્ટેનલેસ સ્ટીલની લાવો છો, પણ મને વાપરતાં આવડતું નથી. તેમાં સ્ટેનલેસ સ્ટીલ શું કરે બિચારું ? એ ય ડફોળનાં હાથે પડીને ડફોળ જેવું થઈ જાય ! કેટલાકને તો બ્લેડ વાપરતાં જ નથી આવડતી, બ્લેડ વપરાઇ કે નથી વપરાઇ તે જ જાણતા નથી.

એટલે આ બધું વિકલ્પી છે. આ બધું જ્ઞાન જ એવું છે કે કોઈ દહાડો મોક્ષે ના જવા દે.

સંસારમાં આવડત એટલે અહંકાર !

મને તો ભાષણ કરતાં ય આવડતું નથી. આ 'જ્ઞાન' છે એટલું જ આવડે, બીજું કશું આવડે નહીં આ જગતમાં અને બીજું કશું ના આવડ્યું તેથી તો આ આવડ્યું ! અને ક્યાંય શીખવા પણ નથી ગયો. નહીં તો જે ને તે ગુરુ થઈ બેસે. એના કરતાં આમાં 'એકસ્પર્ટ' તો થઈ જઈએ, નિર્લેપ તો થઈ જઈએ !

મને તો સંસારની ય બાબત કશી આવડતી નથી અને સ્કૂલમાં ય નહોતું આવડતું. આ એકલું આવડતું હતું કે ઉપરી ના જોઈએ. એ જ ભાંજગડ બહુ લાગી. માથે ઉપરી ના જોઈએ ! પછી ગમે તે ખાવા-પીવાનું હોય, તેની હરકત નથી. પણ માથે ઉપરી ના જોઈએ. આ દેહ છે, તે દેહ એનું 'એડજસ્ટમેન્ટ' લઈને જ આવ્યો છે.

હવે આ 'જ્ઞાન' એવું છે ને, તે બધું જ કામ કરે. બાકી, અમને સંસારનું કશું જ આવડતું નથી. પણ તો ય પાછું કામ સરસ ચાલ્યા કરે, બધાં ય કરતાં સરસ ચાલ્યા કરે. બધાને તો બૂમો પાડવી પડે છે. મારે તો બૂમો ય પાડવી નથી પડતી. છતાં ય બધી આવડત કરતાં સારું કામ થાય છે. આ જેને જોડા સીવતાં આવડેને, તેને જોડા સીવ સીવ કરવાનાં ! કપડાં સીવતાં આવડે, તેને એ કપડાં જ સીવ સીવ કરવાનાં ! ને જેને કંઈ ના આવડે, તેને નવરું બેસી રહેવાનું. આવડે નહીં, તેને શું કરવાનું તે ?!

ત્યાં થઈ ગયો અહંકાર શૂન્ય !

આ જગતમાં કશું આવડતું ના હોય ને 'વ્યવસ્થિત' છે એવું સમજાય, એવું અનુભવમાં આવી જાય, તેને 'આત્મજ્ઞાન' થઈ ગયું એમ કહેવાય.

કારણ કે ભગવાને શું કહ્યું છે કે જેને કંઈ પણ આવડે છે તે જ્ઞાન અહંકારના આધારે રહ્યું છે. જેને આવડતું નથી, તેને અહંકાર જ નથી ને ! અહંકાર હોય તો આવડ્યા વગર રહે નહીંને ! મને તો આ એકલું જ આવડે છે. છતાં ય લોકોના મનમાં ભ્રમણા છે કે દાદા બધું જાણે ! પણ શું જાણે છે તે ? કશુંય જાણતા નથી. 'હું' તો 'આત્મા'ની વાત જાણું છું. 'આત્મા' જ્ઞાતા-દ્રષ્ટા છે તે જાણું છું. 'આત્મા' જે જે જોઈ શકે છે એ 'હું' જોઈ શકું છું પણ બીજું આવડતું નથી. અહંકાર હોય તો આવડેને ! અહંકાર બિલકુલે ય નિર્મૂળ થઈ ગયો છે. જેનું મૂળિયું પણ નથી રહ્યું કે આ જગ્યાએ હતો ને, તે જગ્યાએ એની કોઈ સુગંધી ય ના આવે. એટલા બધાં મૂળિયાં નીકળી ગયાં. ત્યાર પછી એ પદ કેવું મઝાનું હશે !

પોતાની આવડત જેવી કોઈ વસ્તુ રહેશે નહીં. ત્યારે ભગવાન જેવી સત્તા ઉત્પન્ન થાય ! એટલે જે ઇચ્છા કરો તે હાજર થાય.

આ તો અમારી કેટલાંય અવતારની સાધના હશે, તે એકદમ ફળ આવીને ઊભું રહ્યું ! બાકી, આ ભવમાં તો કશું આવડ્યું જ નથી. આવડત તો મેં કોઈ માણસમાં જોઈ જ નથી.

આવડત અંતે ખોટ લાવે !

આ મોચી છે, એને ઓછું આવડતું હોય, તે જોડા બનાવે. પણ બાર મહિને ખોટ ને ખોટ જ લાવે. તેવું આ કાળના જીવો ખોટ ને ખોટ જ લાવે. જરા આવડતવાળા હોય, તે નફા કરતાં ખોટ વધારે લાવે. ચામડું બધું બગાડી નાખે. જોડા સીવે હઉ અને ચામડું પાંચસો જોડાનું બગાડે ! તેમાં શું નફો રહ્યો ? મહેનત કરી અને નકામી ખોટ ગઈ. એટલે મૂળ વેપારમાં ખોટ આવે.

આ સંસારી જે નફો આવે છે, નુકસાન થાય છે, તે તો પુણ્યના આધીન છે. તેમાં આ લોકો શું કમાવાના હતાં ? એ તો પુણ્યની કમાણી છે ! તે આ અક્કલના ઇસ્કોતરા જોડા જ ઘસ્યા કરે છે ! એટલે આપણે તો શૂન્ય જ, કશું આવડતું જ નહોતું એમ માનીને ચાલોને ! છેકો મારીને નીચે નવેસરથી રકમ લખવાની. કઈ રકમ ? અમારી શુધ્ધાત્માની રકમ પાકી ! નિર્લેપ ભાવ, અસંગ ભાવ સહિત !! આ તો અહીં સંપૂર્ણ રકમ આપેલી છે. 'દાદા'એ શુધ્ધાત્મા આપ્યો ત્યારે શુધ્ધાત્મા થયા. નહીં તો કશું હતું ય નહીં, કોઈ પૈસા ભારે ય સામાન નહોતો !

આવડત, 'એકસપર્ટ' થતાં અટકાવે !

અમને આ લખવા-કરવાનું ના આવડે, પેને ય પકડતાં ના આવડે. અમને કશું આવડે નહીં. સંસારનું કશું ના આવડે, એનું નામ 'જ્ઞાની'. અમે અબુધ કહેવાઇએ.

પ્રશ્નકર્તા : આપ આપની જાતને અબુધ કહો છો, પણ પ્રબુધ લાગો છો અમને.

દાદાશ્રી : પણ હું તો દરેક બાબતનો અનુભવ કરીને કહું છું. આજે સિત્તેર વર્ષની ઉંમર થઇ, પણ હજી મને દાઢી કરતા નથી આવડતી. લોકો મનમાં માને છે કે પોતાને દાઢી કરતાં આવડે છે, એ બધું ઇગોઇઝમ છે. અમુક જ બહુ જૂજ માણસોને દાઢી કરતાં આવડતી હશે. મને પોતાને જ સમજાય છે કે આ કેમનું રેઝર પકડવું, કેટલી ડિગ્રીએ પકડું, એની કશી ખબર હોતી નથી. એના એક્સપર્ટ આપણે થયેલા નથી. જ્યાં સુધી હું એક્સપર્ટ થયો નથી ત્યાં સુધી આપણને આવડતું નથી એમ જ કહેવાય.

પ્રશ્નકર્તા : એક્સપર્ટ થવામાં આપને ફાયદો નથી દેખાયો ને ?

દાદાશ્રી : ફાયદાની વાત નથી, પણ હું 'જેમ છે તેમ' કહી દઉં છું કે મને દાઢી કરતાં નથી આવડતી. તમને એમ થાય કે આમ તો કેમ કરીને હોય ? પણ તમને આવડે છે એ જ ખોટું છે. એ ખાલી 'ઇગોઇઝમ' છે. આ તો બધું પોલંપોલ ચાલ્યા કરે છે !

પ્રશ્નકર્તા : એક્સપર્ટ એટલે ?

દાદાશ્રી : માણસ એકસપર્ટ થઇ શકે નહીં. એક્સપર્ટ એ તો કુદરતી બક્ષિસ છે. આ આત્મવિજ્ઞાનમાં હું ય એક્સપર્ટ થયેલો છું, તે ય કુદરતી બક્ષિસ છે. નહીં તો માણસ તે જ્ઞાની શી રીતે થઇ શકે ? તેથી અમે કહીએ છીએ કે 'ધીસ ઇઝ બટ નેચરલ.'

જ્ઞાનદ્રષ્ટિથી ખુલ્લી કરે બિનઆવડત !

અરે, મને તો ચાલતાં ય નથી આવડતું. લોકો કહે કે દાદા બહુ સરસ ચાલે છે ! પણ હું તો જ્ઞાનદ્રષ્ટિથી જોતો હોઉં એટલે મને ખબર પડે કે મને ચાલતાં ય નથી આવડતું.

પ્રશ્નકર્તા : પણ અમને તો તમારું બધું જ આદર્શ રૂપ જ દેખાય.

દાદાશ્રી : એવું લાગે, પણ હું જ્ઞાનરૂપે જોઉં, છેલ્લા ચશ્માથી જોઉં, એટલે છેલ્લી લાઇટથી આ બધું કાચું લાગે.

કેટલાંક માણસો મને કહે છે કે દાદા, તમારી જોડે બેસીને અમે ખાતાં શીખ્યા. હવે હું મારી જાતને જાણુંને કે મને જમતાં જ નથી આવડતું. જમતાંનો ફોટો કેવો હોવો જોઇએ, કેવું ચારિત્ર હોવું જોઇએ એ અમને લક્ષમાં હોય જ. પણ તે કોને હોય ? બક્ષિસવાળાને હોય.

એક બાજુ અહંકાર હોય અને એક બાજુ 'એક્સપર્ટ' થવું, એ બે સાથે થઇ શકે જ નહીં. અહંકાર જ 'એક્સપર્ટ' થતાં અટકાવે છે.

એટલે અમે 'અબુધ' છીએ એ અનુભવપૂર્વકનું કહીએ છીએ, એમ ને એમ નથી કહેતાં. છતાં ય તમને પ્રબુધ દેખાય છે એ તમારી દ્રષ્ટિ છે. મારી દ્રષ્ટિ ક્યાં હશે ? એ તમને સમજાયું ? અમારી છેલ્લી દ્રષ્ટિ છે.

ધંધામાં ય હું મારી જાતને 'એકસપર્ટ' માનતો હતો. તે ય આ જ્ઞાન થયા પછી તટસ્થ દ્રષ્ટિથી જોયું, લોકોને ધંધા કરતા જોયા ત્યારે હું સમજી ગયો કે આ તો કશું આવડતું જ નથી. આ તો 'ઇગોઇઝમ' જ છે ખાલી. કોઇ પાંચ જણા માને, સ્વીકાર કરે માટે કંઇ બધી આવડત થઇ ગઇ ?

અપરિચય કરાવે વિસ્મૃતિ !

પ્રશ્નકર્તા : આપની દ્રષ્ટિએ અબુધપણું બરાબર છે પણ વ્યવહારિક દ્રષ્ટિએ ?

દાદાશ્રી : 'હું બુધ છું' એ ભાન અને આ જ્ઞાન એ બે સાથે રહી શકે જ નહીં. અમારી પાસે જ્ઞાનનો ફુલ પ્રકાશ હોય, એટલે અમને બુદ્ધિની જરૂર જ નહીં ને ! બુદ્ધિ 'ઇમોશનલ' કરાવે અને જ્ઞાન મોશનમાં રાખે.

અમને સંસાર વિસારે પડી ગયો હોય. અમને સહી કરતાં ય આવડતી નથી. પંદર-વીસ વરસથી કશું લખ્યું જ નથી એટલે બધું વિસારે પડી ગયું છે. આ સંસાર એની મેળે વિસારે પડી જાય એવો છે. એના માટે આટલા બધા પ્રયોગ કરવાની જરૂર નથી. પરિચય છૂટ્યો કે વિસારે પડે. એટલે પરિચય છૂટવો જોઇએ. સાધારણ વ્યવહારનો વાંધો નથી, પણ પરિચયનો વાંધો છે.

'અમે અબુધ છીએ !' કહેવાય ?

અને અમે તો 'અબુધ' છીએ એવું પુસ્તકમાં છાપ્યું હઉ છે. હું લોકોને કહું છું કે અમે તો અબુધ છીએ ! એટલે લોકો કહે છે, 'એવું ના બોલો, ના બોલો !' અલ્યા ભઈ, તું ય બોલ. તું ય અબુધ થા, નહીં તો માર્યો જઈશ ! ને આ લોક તો તારાં ટાંટિયા ભાંગી નાખશે !

એટલે આપણે અક્કલવાળા થવાની વાત જ નહીં કરવાની. તેથી તો અમે અબુધનું કારખાનું ખોળી કાઢ્યું ને ! જુઓ ને, કેવું ખોળી કાઢ્યું ! અને આ વ્યવહારમાં જ્યારે આપણને સમજણ ના પડે તો વકીલને ખોળી કાઢીશું કે, 'લે રૂપિયા, ને કંઈક કરી આપ. આ બાઝી પડ્યો છે તે ઉકેલ લાવી આપ.' વળી આપણે ક્યાં અક્કલ વાપર વાપર કરીએ ! આ અક્કલવાળા લોક તો મળે છે ને ! કોઈ પચ્ચીસ રૂપિયાના મળે, કોઈ પચાસ રૂપિયાના મળે, કોઈ સો રૂપિયાના મળે. છેવટે એક દહાડાના પાંચસો રૂપિયાના ય મળે છે ને ! તૈયાર જ મળે છે, તે હવે અક્કલ શા સારુ વાપરવાની ?!

'અક્કલ નથી', એ જ સારું ?

ને આ તો બહુ પુણ્યશાળી માણસ, તે લોક 'અક્કલ નથી' એવું કહે છે. એ બહુ સારું છે. આ તો ઈનામ કહેવાય. આ તો લોકોએ જ વધારે કાદવમાં ઉતરવા જ ના દીધો. 'એ ય ઊભો રહે, મહીં ના ઊતરીશ, તું ડૂબી જઈશ, કાદવમાં પગ ખૂંપી જશે !' ત્યારે કહીએ, 'સારું !' આ કિનારે ઊભા રહ્યા, તેથી તો આ 'જ્ઞાન' પામ્યા ! નહીં તો આ ખૂંપી ગયા હોય ને, તેમનાં મોઢાં તો જુઓ, બધાંના ! કેવાં દીવેલ પીધા જેવા થઈ ગયા છે, ડાહ્યા થવા સારુ, નામ કાઢવા સારુ ગયેલા તે !

પ્રશ્નકર્તા : પણ બહારવાળા બધી બાબતમાં મૂરખ ઠરાવી દે, ત્યાં શું કરવું ?

દાદાશ્રી : હા, તે આપણે એ થવાની જ જરૂર છે. આપણી બહુ પુણ્યૈ જાગી છે ! અને ત્યાં આગળ એ લોકોમાં આપણે એકદમ હસી-ખુશીને ના રહેવું. પણ દેખાવ તો એવો રાખવો કે અમારે તમારી જોડે ઘોડદોડમાં આવવું છે, દેખાવમાં જ ફક્ત ! પણ અંદરખાને તો, ત્યાં ગયા હોય ને, તો હારી જવું પાછાં ! એટલે એમનાં મનમાં 'અમે જીત્યા છે' એવું લાગે. અમે તો આવું સામે ચાલીને કેટલાંયને કહી દીધું કે, 'ભઈ, અમારામાં બરકત નથી.' એ સારામાં સારો રસ્તો. બાકી, એ બધી ઘોડદોડો છે ! 'રેસકોર્સ' છે !! તેમાં કોની જોડે આપણે દોડીએ ? નથી આપણમાં કશી બરકત, નથી ચાલવાની શક્તિ, એમાં કોની જોડે દોડીએ ? તો ય લોક કહેશે, 'તમારી ઉંમર હજી ક્યાં વધારે છે ?' ત્યારે મેં કહ્યું, 'પણ વધારે ઉંમરવાળાની જોડે ય મારાથી ન દોડાય. આ અમને બીજું કશું તો આવડે નહીં.' આ બબૂચકની અક્કલને શું કરવાની ? જે અક્કલ તો ભાડે મળે છેને !

જુઓને, 'એકસ્પર્ટ' તો, જ્યાંથી જોઈએ ત્યાંથી ભાડે આવી જાય. શેના 'એકસ્પર્ટ' ? ત્યારે કહે, 'ઇન્કમટેક્ષ'ના. એ ય ભાડે, બીજો ભાડે, ત્રીજો ભાડે, ડૉકટર ભાડે, વકીલો ભાડે, બધું ય ભાડે !

એકમાં 'એક્સ્પર્ટ', પણ બધે...

અને ગમે તે માણસ, સહુ સહુની લાઈનમાં હોંશિયાર હોય ને બીજી લાઈનમાં બધાં બબૂચક છે. તેના કરતાં આપણે સારું, એક લાઈનમાં મોટા 'એક્સ્પર્ટ' કહેવડાવા કરતાં સબમેં બબૂચક ! હેય.... મોટાં દાદાચાંદજી હોય, પણ અમુક બાબત આવે ત્યારે કહે, 'આને માટે તો પેલાને ત્યાં જવું પડે.' અમારી પાસે મકાનો બંધાવવા આવે છે તે આમ મોટા ડૉકટર હોય, પણ એ બિચારા વિનય કર્યા કરે. કારણ કે એને આ બાજુનું ખબર જ ના હોય ને ! એવું છે આ જગત. બીજી બાજુ બબૂચક જ હોય ! સબમાં તો કોઈ તૈયાર થાય નહીં ને ! એટલે ગમે ત્યાં તો બબૂચક કહેવાઈશને ? તેનાં કરતાં સબમેં બબૂચક હો જાવ ને ! તમને ના સમજણ પડી ? એક સૂંઠનાં ગાંગડા સારુ ગાંધી કહેવડાવવું, એનાં કરતાં 'અમે ગાંધી જ નથી, ગાંધી તો તમે.' અમારી શોધખોળ સારી છે ને ?

એક બેનને પૂછયું કે, 'તમારે હવે ધણી મરી ગયા, તે કારખાનું શી રીતે ચલાવશો ?' તો મને કહે છે, 'એ તો મેનેજર રાખી લઈશું.' ત્યારે અલ્યા, એવું ભાડે મળે છે આ બધું ?! તો ધણી મરી ગયો તો રડે છે શું કામ ? જો બધું ભાડે મળતું હોય, અક્કલે ય ભાડે મળે ને બધું ભાડે મળે, તો એ ભાડે લઈ આવોને ! અને 'આ' તે કંઈ ભાડે ઓછું રાખવાનું છે ? આ તો અસલ ધન છે ! ભાડે લોક મળે છે કે નથી મળતા ? દાદાચાંદજી ભાડે મળે કે ના મળે ? એને પાંચ હજાર રૂપિયા મળતા હોય તો કહીએ, દસ હજાર આપીશ. તો તરત દાદાચાંદજી આવેને ! ભાડેથી મળે. અને 'આપણે' તો ભાડે નહીં જવાનું કોઈને ત્યાં, ને આપણું ભાડું કોઈ લેવાનું છે ? આપણું ભાડું આપી શકે ય નહીંને ! અમૂલ્યનું ભાડું શી રીતે આપી શકે ? એ બરોબર સહેલો રસ્તો છેને ?

અને આમાં શાની અક્કલ રાખવાની ? તે ત્યારથી જ અમે વાત છોડી દીધેલી, લગામ જ છોડી દીધેલીને ! અને કહી દીધેલું, 'અમને સમજણ ના પડે.' એટલે આપણે છૂટા ! અને હું તો એમે ય કહું છું, 'હવે અમારામાં કંઈ બરકત રહી નથી, તમે ખોળવા જાઓ તો !' ત્યારે એ લોકો કહેશે, 'ના, બોલશો.'

હવે આપણા હાથમાં પતંગ આવી ગઈ. લોકોની પતંગો ગુલાંટ ખાવાની હશે તો ખાશે, પણ આપણી પતંગનો દોર તો હાથમાં આવી ગયો ! આપણે આ લોકોની ઘોડદોડમાં ક્યાં પડીએ ?! 'સબ સબકી સમાલો, મૈં મેરી ફોડતા હું.'

'પહેલેથી અક્કલ ઓછી જ છે !'...

અને આ અક્કલને શું કરવું ? તમે જો આમાં ઊંડા ઊતર્યા હોતને, તો કેટલા બધા ઊંડે ગરકી ગયા હોત. પણ તે તમે અમારી પેઠ છેટે ને છેટે રહ્યા, તે સારું થયું !

અમને તો આ લોક સામા ચાલીને કહે કે, 'તમે તો આમ બહુ જાતજાતનું સારું દેખાડો છો.' ત્યારે મેં કહ્યું, 'ના.' છેવટે એમે ય કહી દઉં કે, 'હું બધું ભૂલી ગયો છું, હવે તો ભાન જ નથી રહેતું.'

'અમારામાં તો કોઈ બરકત રહી નથી હવે', કહીએ છીએ એ લોકોને બહુ ગમે છે. નહીં તો આ બરકતવાળા લોકો તો અહીં સોદો કરવા આવે. અલ્યા, અહીં સોદા કરવાની ચીજ છે ? બધાંથી ઉપર છીએ ! સોદા કર તારી લાયકાત પર ! અમે તો ઉપરીના ઉપરી છીએ અને પાછાં બરકત વગરના છીએ !! એટલે કહી દઈએ, 'બરકત વગરનામાં શું ખોળો છો ?' ચોર-બહારવટિયા મળે ને, તો ય કહી દઈએ, 'અમારી પાસે, બરકત વગરના પાસે શું લેવાનું તે ? તારે જે જોઈતું હોય તે લઈ લે ગજવામાંથી ! અમને આપતાં નહીં આવડે. અમે બરકત વગરના છીએ.'

લોકો તો નાનપણમાં વઢતાં કે 'તારામાં કશી બરકત નથી.' ત્યારે હવે આપણે જ કહી દઈએ ને, વળી કોઈક કહે તેના કરતાં ! કોઈકને વખતે કહેવું પડે, કોઈ 'સર્ટિફિકેટ' આપે, એનાં કરતાં આપણે જ 'સર્ટિફાઈડ કોપી' થઈ જઈએને, તો ભાંજગડ જ મટી જાયને ! લોકોને કહેવું પડે કે, 'તારામાં બરકત નથી, તારામાં બરકત કશી નથી !' અને આપણે એ બરકત લાવવા ફરીએ, આનો સોદો ક્યારે જડે ? એના કરતાં આપણે જ 'સર્ટિફાઈડ' બરકત વગરના થઈ જઈએને ! તો ઉકેલ આવેને !

લાવ્યા પહેલો નંબર, છતાં રહ્યા છેલ્લા !

અમારે કંપનીમાં પહેલો નંબર આવવા માંડ્યોને, ત્યારે મનમાં પાવર પેઠો કે આ તો ભેજું બહુ સરસ કામ કરે છે. પણ તે, એ ય અક્કલ નહોતી, કમઅક્કલપણું હતું, ઉપાધિ લાવવાનું સંગ્રહસ્થાન હતું. ઉપાધિ ઘટાડે, એનું નામ અક્કલ કહેવાય ! હા, આવતી ઉપાધિ આપણી પાસે આવે નહીં, વચ્ચે બીજો કોઈ મોડ પહેરી લે ! તે ઉપાધિ એની પાસે જાય.

આ લોકોની તો રીત જ ખોટી છે, રસમ જ આખી ખોટી છે ! તે આ લોકોની રીત ને રસમ પ્રમાણે આપણે દોડીને પહેલો નંબર લાવ્યા પછી યે પાછો છેલ્લો નંબર આવ્યો. તે હું પછી સમજી ગયો કે આ દગો છે ! હું તો એમાં યે દોડેલો, ખૂબ દોડેલો, પણ એમાં પહેલો નંબર આવ્યા પછી છેલ્લો નંબર આવેલો. ત્યારે થયું કે 'આ ચક્કર કઈ જાતનું ? આ તો ફસામણ છે !' આમાં તો કોઈ નંગોડ માણસ ગમે ત્યારે આપણને ધૂળધાણી કરી નાખે. એવું કરી નાખે કે ના કરી નાખે ? પહેલો નંબર આવ્યા પછી બીજે દહાડે જ હાંફ હાંફ કરી નાખે ! એટલે અમે સમજી ગયા કે આમાં પહેલો નંબર આવ્યા પછી છેલ્લો નંબર આવે છે, એટલે ઘોડદોડમાં ઊતરવું નહીં.

લોકપ્રવાહથી નોખા ચાલ્યા !

અમે તો નિરાંતમાં ને નિરાંતમાં રહેલા. પહેલાં તો રસ્તા આમ વાંકાચૂંકાને, તે મહીં ગણતરી થાય કે આ રસ્તો આમ વળીને પાછો પેણે જાય છે ! તે આખું કુંડાળું હોય તો એકનાં ત્રણ ગણા થાય, તો આ અડધું કુંડાળું દોઢ ગણું થાય. તે દોઢો રસ્તો ચાલવાને બદલે સીધું જ ચાલેલો. લોકોના રસ્તે ચાલેલો જ નહીં પહેલેથી, મારે લોકરસ્તો જ નહીં. લોકરસ્તે ધંધો યે નહીં. જુદો જ ધંધો ! રીતે ય જુદી ને રસમે ય જુદી. લોકો કરતાં બધું જ જુદું. અને અમારે ઘેરેય કોઈ દહાડો રંગ ધોળાવાનો નહીં. એની મેળે ભીંતોને ધોળાવાનું હોય તો ધોળાઈ જાય !

રેસકોર્સના સરવૈયે... માર ખાધો !

એટલે અમે તો આ એક જ શબ્દ કહીએ કે, 'અમારામાં બરકત નથી રહી હવે.' બરકત તો અમે જોઈ લીધી ! બહુ દોડ્યા, ખૂબ દોડ્યા ! એ તો સરવૈયું કાઢીને આ અનુભવથી કહું છું. અનંત અવતારથી દોડ્યો, તે બધું નકામું ગયું. 'ટોપ' ઉપર બેસે એવું દોડ્યો છું, પણ બધે માર ખાધો છે. એનાં કરતાં ભાગોને, અહીંથી ! આપણી અસલ જગ્યા ખોળી કાઢો, હેય... જાયજેન્ટિક !!

એટલે ઉપરથી દેવ આવીને કહે, 'તમને આ ઘોડદોડમાં પહેલો નંબર આપીએ છીએ.' તોયે કહીએ, 'ના, આ દાદા એ જગ્યાએ જઈ આવ્યા છે, તે જગ્યાની વાત દાદા કહે છે, ને તે અમને સાચું લાગ્યું. અમારે ઘોડદોડ જોઈતી જ નથી.'

અમારા સંબંધી સાથે પૈસા સંબંધી વાત નીકળીને, ત્યારે મને કહે છે, 'તમે તો બહુ સારું કમાયા છો.' મેં કહ્યું, 'મારે તો એવું કશું છે જ નહીં. અને કમાણીમાં તો, તમે કમાયેલા છો. હેય.... મિલો રાખી ને એ બધું રાખ્યું. ક્યાં તમે ને ક્યાં હું !? તમને નહીં જાણે શું આવડ્યું, તે આટલું બધું નાણું ભેગું થયું. મને આ બાબતમાં ના આવડ્યું. મને તો પેલી બાબતમાં જ આવડ્યું.' આવું કહ્યું એટલે આપણે અને એને સાઢું- સહિયારું જ ના રહ્યુંને ! 'રેસકોર્સ' જ ના રહ્યું ને ! હા, કંઈ લેવા-દેવા જ નહીં. ક્યાં એમની જોડે સ્પર્ધામાં ઉતરવાનું હતું ?

હંમેશાં ય લોક આવી સ્પર્ધામાં હોય, પણ હું એમની જોડે ક્યાં દોડું ? એમને ઈનામ લેવા દોને ! આપણે જોયા કરો. હવે હરીફાઈમાં દોડે તો શી દશા થાય ? ઘૂંટણિયા બધું છોલાઈ જાય. એટલે આપણું તો કામ જ નહીં.

ઈનામ પહેલાને જ, ને બાકીનાને...

રાત-દહાડો પૈસાના વિચાર મુંબઈ શહેરમાં કોણ નહીં કરતું હોય ? થોડા ઘણા ધોળા ને ભગવા લૂગડાંવાળા સાધુઓ એવા છે કે મહીં પૈસા ના લે, પૈસાને અડે નહીં.

પ્રશ્નકર્તા : જે ભૌતિક પામેલાઓ છે એમને વધારે પામવા માટે વ્યગ્રતા હોય છે અને ના પામેલા પામવા માટે વ્યગ્ર હોય છે, એ શાથી ?

દાદાશ્રી : લોકોને રેસકોર્સમાં ઉતરવું છે. રેસકોર્સમાં ઘોડાઓ દોડે છે, એમાં કયા ઘોડાને ઈનામ હોય છે ?

પ્રશ્નકર્તા : પહેલા ઘોડાને.

દાદાશ્રી : તે તમારા ગામમાં કયો ઘોડો પહેલા નંબરે છે ? રેસકોર્સમાં જે પહેલો આવ્યો એમાં કોનું નામ છે ? એટલે બધા ઘોડા દોડાદોડ કરે છે ને હાંફી હાંફીને મરી ગયા પણ આ દુનિયામાં કોઈનો પહેલો નંબર લાગ્યો નથી. આ તો વગર કામની દોડમાં પડ્યા છે. માટે આ દોડમાં પડવા જેવું નથી. આપણે આપણી મેળે શાંતિપૂર્વક કામ કર્યે જવાનું. આપણી ફરજો બધી બજાવી છૂટવી. પણ આ રેસકોર્સમાં પડવા જેવું નથી. તમારે આ રેસકોર્સમાં ઊતરવું છે ?

પ્રશ્નકર્તા : જીવનમાં આવ્યા એટલે રેસકોર્સમાં ઊતરવું જ પડશે ને ?

દાદાશ્રી : તો દોડો, કોણ ના પાડે છે ? જેટલું દોડાય એટલું દોડો. પણ અમે તમને કહી છૂટીએ છીએ, કે ફરજો સવળી બજાવજો ને શાંતિપૂર્વક બજાવજો. રાતે અગિયાર વાગે આપણે બધે તપાસ કરવી કે લોકો ઊંઘી ગયા છે કે નથી ઊંઘી ગયા ? તો આપણે જાણીએ કે લોકો ઊંઘી ગયા છે. એટલે આપણે પણ ઓઢીને સૂઈ જવું ને દોડવાનું બંધ કરી દેવું. લોકો ઊંઘી ગયા હોય ને આપણે એકલા વગર કામના દોડાદોડ કરીએ એ કેવું ? આ શું છે ? લોભ નામનો ગુણ છે એ પજવે છે.

જીવન-મરણાં પણ ફરજ્યિાત !

આખી જિંદગી શક્કરિયું ભરહાડમાં બફાયને, એમ આ મનુષ્યો બફાઈ રહ્યા છે.

પ્રશ્નકર્તા : હા, બફારામાં જ જીવે છે.

દાદાશ્રી : ના જીવે તો શું કરે ? ક્યાં જાય તે ? આ જીવવાનું ય ફરજ્યિાત છે પાછું ને મરવાનું ય કોઈના હાથમાં સત્તા નથી. મરવા જાય ત્યારે ખબર પડશે. પોલીસવાળો પકડીને કેસ કરશે. જેમ જેલમાં ગયેલા માણસને ફરજિયાત બધું કરવું પડે છે ને, એવું આ જીવવાનું ફરજિયાત ને પૈસા ય ફરજિયાત છે.

એટલે લક્ષ્મીની હાય હાય તો હોતી હશે ? અને એની હાય હાય કરીને કોઈ ધરાયો ? આ દુનિયામાં કોઈનો ય પહેલો નંબર આવેલો એવું લાગ્યું ? અહીં મુંબઈની મ્યુનિસિપાલિટીમાં કોઈનું નામ નોંધાયેલું છે કે આ ફર્સ્ટ નંબર આવ્યો ને આ સેકન્ડ નંબર આવ્યો. એવાં નામ નોંધાયેલા છે ? આ તો જન્મે છે, કરોડ રૂપિયા કમાય છે ને પાછો મરી જાય છે. કૂતરાને મોતે મરી જાય છે. કૂતરાને મોતે શાથી કહું છું કે ડૉક્ટરો પાસે જવું પડે છે. પહેલાં તો લોકો મનુષ્યને મોત મરતાં હતાં. એ શું કહેશે કે 'ભાઈ, મારે હવે જવાનો ટાઈમ થયો છે, એટલે ઘરનાં પછી દીવો કરે અને અત્યારે તો છેલ્લી ઘડીએ બેભાન થઈ ગયો હોય. કૂતરાં ય મરતી ઘડીએ બેભાન નથી થતાં.

આ અત્યારે તો માણસ માણસ જ રહ્યો નથી ને ! અને એમનાં મોત તો જુઓ ? કૂતરાંની પેઠે મરે છે. આ તો અણહકના વિષયો ભોગવ્યા તેનું ફળ છે. વિપરીત બુદ્ધિ થઈ ગઈ છે. તેથી જેની પાસે લક્ષ્મી છે તેને ય પાર વગરનું દુઃખ છે. સમ્યક્ બુદ્ધિ સુખી કરે.

અમદાવાદના શેઠિયાઓને બે મિલો છે, છતાં એમનો બફારો તો મહીં આગળ વર્ણન ન થાય એવો છે. બબ્બે મિલો હોય છતાં એ ક્યારે ફેઈલ થઈ જાય એ કહેવાય નહીં. આમ સ્કૂલમાં પાસ સારી રીતે થયા હતા, પણ અહીં આગળ ફેઈલ થઈ જાય ! કારણ કે એણે બેસ્ટ ફૂલિશનેસ આદરવા માંડી છે. ડીસઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલિશનેસ ! આ ફૂલિશનેસની તો હદ હોયને કે બેસ્ટ સુધી પહોંચાડવાનું ? તે આજે બેસ્ટ ફૂલિશનેસ સુધી પહોંચ્યા !

'દાદા'નું ગણિત !

પૈસાનો તો મેં હિસાબ કાઢ્યો. મેં કહ્યું, 'આ પૈસા આપણે વધાર વધાર કરીએ તો કેટલા સુધી જશે ?' પછી હિસાબ કાઢ્યો કે અહીં આગળ કોઈનો નંબર પહેલો લાગ્યો નથી આ દુનિયામાં. લોકો કહે છે કે 'ફોર્ડનો પહેલો નંબર છે.' પણ તો ચાર વર્ષ પછી કો'ક બીજાનું નામ સંભળાતું હોય. એટલે કોઈનો નંબર ટકતો નથી, વગર કામના અહીં દોડધામ કરીએ, આનો શો અર્થ ? પહેલા ઘોડાને ઈનામ હોય, બીજાને થોડુંક આપે ને ત્રીજાને આપે. ચોથાને ફીણ કાઢી કાઢીને મરી જવાનું ? મેં કહ્યું, 'આ રેસકોર્સમાં હું ક્યાં ઊતરું ?' તે આ લોકો તો ચોથો, પાંચમો કે બારમો, સોમો નંબર આપે ને ! તે અલ્યા શું કરવા, ફીણ કાઢીએ આપણે ! ફીણ ના નીકળે પછી ? પહેલો આવવા દોડ્યો અને આવ્યો બારમો, ચાયે ના પાય પછી. તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : બરોબર છે.

દાદાશ્રી : એટલે આ બધું ગણિત કાઢી નાખેલું. દાદાનું ગણિત ! બહુ સુંદર ગણિત છે. આ મેથેમેટિક્સ એટલું બધું સુંદર છે. પેલા એક સાહેબ તો કહેતા'તા કે આ દાદાનું ગણિત જાણવા જેવું છે.

દોડ, દોડ, દોડ પણ શેના સારુ ? નંબર લાગવાનો હોય તો હેંડ, ચાલ, દેહનું જે થવાનું હોય તે થાય, પણ આ તો નંબરે ય નહીં, ઈનામે ય નહીં, કશું ય નહીં ને ફીણ તો પાર વગરનાં. ના કશામાં ઘસાયો, આમાં જ દોડ, દોડ, દોડ ! બધે નીરસ થઈ ગયેલો પાછો, ખાવામાંય રસ-બસ નહીં !

આ ગણિત શીખવા જેવું નથી લાગતું ?

પ્રશ્નકર્તા : અને જે રીતે આપ કહો છો, એ કંઈ વર્ણવવા જેવું જ નથી ! એવું જ થઈ ગયું છે !!

દાદાશ્રી : એટલે આ તો અનુભવની વાત કરું છું ને ! મને જે અનુભવ થયો છે તે જ !

...તેથી ભગવાન જડ્યા !

પ્રશ્નકર્તા : દરેકની એવી ઇચ્છા હોય ને, કે હું કંઈક થઉં અને અહીં આપની પાસે એવી ઇચ્છા થાય કે હું કાંઈ ન થઉં, વિશેષતા બિલકુલ ના જોઈએ. ત્યાં વ્યવહારની અંદર હોય કે હું કંઈક છું ને મારે કંઈક થવું છે.

દાદાશ્રી : કારણ કે ત્યાં 'રેસકોર્સ'માં પડે છે ને ! આટલા બધા ઘોડા દોડે એમાં એ ય દોડે. અલ્યા, તું માંદો છે, બેસી રહે ને, છાનોમાનો ! અને એ તો 'સ્ટ્રોંગ' ઘોડા ! એટલે આ હરીફાઈમાં કોઈ મૂર્ખો ય મહીં ના પડે. હા, બસ્સો-પાંચસો ઘોડાને ઇનામ આપતા હોય તો આપણો નંબરે ય લાગી જાય એમ માનીએ. પણ અલ્યા, પહેલો નંબર તો લાગવાનો નથી. તો શું કરવા અમથો આ 'રેસકોર્સ'માં પડ્યો છે ? સૂઈ જાને, ઘેર જઈને. આ 'રેસકોર્સ'માં કોણ ઊતરે ? આમના 'રેસકોર્સ'માં ક્યાં ઊતરાય તે ? કોઈ ઘોડો કેટલો જોરદાર હોય ! કોઈ ચણા ખાતું હોય, કોઈ ઘાસ ખાતું હોય !!

એટલે હું આ સંસારમાં 'રેસકોર્સ'માં પડ્યો નહીં. તેથી મને આ 'ભગવાન' જડ્યા !

સ્પર્ધા ત્યાં દુઃખ જ !

ને ઈનામ તો પહેલા નંબરવાળાને જ ! બીજા બધા તો રખડી મરે. હાંફી હાંફીને મરી જાય તો ય કશું નહીં. એવા ન્યાયવાળા જગતમાં 'રેસકોર્સ'માં પડાતું હશે ? તમને કેમ લાગે છે ? અને મનુષ્યનો સ્વભાવ સ્પર્ધા-વાળો જ હોય. લોકોમાં સ્પર્ધા હોય ને ? દરેક ક્ષેત્રમાં સ્પર્ધા હોય જ. અરે, ઘરમાં ય જો ત્રીજો માણસ આવ્યો હોય, એ દલીલબાજી કરે એવો હોય, તો ધણી-ધણિયાણીમાંય સ્પર્ધા ચાલે પછી. પેલી બઈ આમ બોલે, ત્યારે આ ભાઈ કહેશે, 'બેસ, તું તો આમ કરે છે. પણ હું તો આમ કરી નાખું એવો છું.' અલ્યા, બેઉ ઘોડા દોડ્યા ! કોણ ઇનામ આપશે તમને ? એટલે અમે તો કહી દઈએ કે 'હીરાબાને જેવું આવડે એવું અમને આવડતું નથી.' એટલે અમે દોડવા દઈએ. ખૂબ દોડો, દોડો, દોડો ! પછી હીરાબા યે કહે, 'તમે ભોળા છો.' મેં કહ્યું, 'હા, બરોબર છે.'

એટલે આ લોકો સ્પર્ધા કરે છે ને, તેથી દુઃખ આવે છે. આ તો 'રેસકોર્સ'માં ઊતરે છે. આ 'રેસકોર્સ' જે ચાલે છે એને જોયા કર, કે આ કયો ઘોડો પહેલો આવે છે ?! એ જોયા કરે તો જોનારને કંઈ દુઃખ થતું નથી. 'રેસકોર્સ'માં ઊતરે છે તેને દુઃખ થાય છે. માટે 'રેસકોર્સ'માં ઊતરવા જેવું નથી.

જ્ઞાની, રેસકોર્સથી દૂર...

તે લગ્નમાં એવું થતું'તું. અમારા ભત્રીજાઓ છે, તે એમને ત્યાં લગન હોય એટલે એ આમ ભત્રીજા થાયને એટલે કાકાને આગળ બેસાડે, વચમાં. એટલે કાકાનો બીજો-ત્રીજો નંબર હોય જ. તે કાકા બેસે ય ખરા. તે પછી ઝવેરચંદ આવ્યા. એટલે 'આવો, આવો પધારો' કહેશે. તે એને વચ્ચે બેસાડીને આપણે ખસવાનું.

પછી કોઈ બીજા આવ્યા તો કહેશે, જરા ખસો, ફલાણા આવ્યા તો ખસો, કોઈ ડૉકટર આવ્યા કે ખસો, મોહનભાઈ આવ્યા કે ખસો. આમ ખસી ખસીને તેલ નીકળી જાય. તે ખસીને નવમે નંબરે જઉં એટલે પછી હું બેસતો જ નહોતો ! મેં કહ્યું, 'આપણને આ પોષાય નહીં, આપણે આ રેસકોર્સમાં ઊતરવું નથી. પહેલા ઘોડાને જ ઈનામ આપે છે, બીજાને આપતા જ નથી પાછાં.'

મેં કહ્યું, 'આ તો અપમાનની જગ્યા થઈ પડી. માનની જગ્યા ન્હોય આ ! એટલે પછી હું તો જ્યારે જઉં ને ત્યારે આગળની જગ્યાનું ધ્યાન-બ્યાન રાખું નહીં. પેલા લોકો ખોળે કે કાકા ક્યાં ગયા ?

તે પછી એ મને કહે છે, 'તમે કાકા થાવ, તો લગનમાં તમને વચ્ચે બેસાડીએ છીએ, તો કેમ બેસતા નથી ને તે ઘડીએ આઘા-પાછા થઈ જાવ છો ને તમે છેટે ઊભા રહો છો કે ગમે ત્યાં બેસી રહો છો ? અમને અમારા વ્યવહારમાં ખોટું દેખાય ને !' મેં કહ્યું, 'ના, કશું ખોટું ના દેખાય. લોકો સમજી ગયા છે મને, કે આ ભક્ત છે અને અમને આમાં સમજણ પડે નહીં'. તો ય કહે, 'ના, પણ અમારું ખોટું દેખાય.' ત્યારે મેં એમને સમજણ પાડી, કે 'ભઈ, હું કોઈ દહાડો બોલું નહીં. પણ આ પૂછો છો તો સાચું જ બોલી દઉં છું. જો હું ત્યાં વચ્ચે બેસું, તો ત્યાર પછી ઝવેરચંદ આવ્યા, તે મારે ખસવું પડે. પછી આ મોહનભાઈ આવ્યા કે મારે ખસવું પડે. એટલે મારે આ જગ્યાઓ ફેરવવી પડે. અને એવાં અપમાન ખમવા એનાં કરતાં આ મારે માનભેર શું ખોટું છે ? હું હરીફાઈમાં પડતો નથી, આ રેસકોર્સમાં પડતો નથી. આ રેસકોર્સ મને નથી ફાવતું, મારાથી દોડાતું નથી. આ મારી કેડો તૂટી ગયેલી છે તે દોડાતું નથી. મને વચ્ચે બેસાડીને મારો નવમો નંબર આવે એવું નાક કપાવીએ એના કરતાં આપણે છેટે જ સારા. પણ એવું મોંઢે મેં ના કહ્યું. પણ આ સરવૈયું કાઢીને હું છટકી ગયેલો. ઘોડદોડ મને પસંદ નથી. ત્યારે કહે, 'બહુ લુચ્ચાઈ ગણાય તમારી. એ તો મનેય આવડે છે, આમ મજાક કરતાં તો.' મેં કહ્યું, 'એ જે ગણો તે છે. આ અમારી કળા છે ! ને તમે એને લુચ્ચાઈ કહો કે જે કહો એ ખરું.' ત્યારે કહે, 'આ તો છટકીને નાસવાની ખરી કળા, લુચ્ચાઈ ખોળી કાઢી !'

ઘોડદોડના ઘોડાની દશા !

એક મોટા પ્રેસિડેન્ટ હતા. આમ સારા માણસ. મોટા વકીલ હતા. તે લગનમાં આવ્યા એટલે 'આવો, આવો ચંદુભાઈ આવો' કહે, તે આમ બેસાડ્યા. પછી ઝવેરચંદ આવ્યા, તે 'આવો આવો' કહીને એમને આમ બેસાડ્યા. એટલે એ ચંદુભાઈને ખસવું પડ્યું. આખી સીટ ખસેડવી પડી. તે એમ બે-ચાર સીટ ખસેડવા પડ્યાને એટલે મોઢું ઊતરી ગયેલું. પહેલું ખસેડ્યું તેમાં થોડુંક ઉતર્યું. બીજા વખતે વધારે, ત્રીજા ને ચોથા વખતે તો ઊતરી ગયેલું તે હું જોયા કરું. મેં કહ્યું, 'આની શી દશા થઈ આ બિચારાની. અરેરે... અહીંયા બધાંય વાજાં વાગે છે ફર્સ્ટ ક્લાસ. આ લોકો પીણાં પીએ છે ને આ આમની શી દશા થઈ ! એના મનમાં ને મનમાં વિચાર કરે. આ સમજદાર નહીં, પણ બોલે તો બોલાય પણ નહીં અને પેલા પીણામાં ય સ્વાદ ના આવે. વાજાં સરસ વાગે. લોકો કેવાં સારાં સારાં છે ને મોઢાં જોવામાં ય સ્વાદ ના આવે. મને જોવામાં આનંદ આવે કે આ કેવા ફસાયા છે.

પછી એ ઊઠી જાય એટલે હું એમને ભેગો થઈ જાઉં. મેં કહ્યું, 'ચંદુભાઈ સાહેબ, કેમ...' ત્યારે કહે, 'તમારા પટેલનું કામ બહુ ખરાબ....' મેં કહ્યું, 'હું એવો નથી.' પછી મને કહે છે, 'આ આવ્યો, તે આવ્યો. બધાને આગળ બેસાડ બેસાડ કરે છે, તે એમ નહીં સમજે કે આ કોણ છે ને કોણ નહીં એવું તેવું સમજવું જોઈએને !' મેં કહ્યું, 'એમને જરાક કચાશ ખરીને !' એટલે ખુશ થઈ ગયા. કહે છે, 'હેંડો ચા-બા પીને જઈએ' પણ તો ય આગળની સીટ છોડે નહીં. તે ય મનમાં એમ નહીં કે બીજી વખત જરા ચેતીએ આપણે. અહીં તો આ રેસકોર્સમાં નંબર નહીં લાગે ને વગર કામનાં હાંફ હાંફ કરવાનું. નથી ઘરમાં રસ રહ્યો, નથી ચા-પાણીમાં ય રસ રહ્યો. આ જ રસ !!

કળા જ્ઞાતા-દ્રષ્ટા રહેવાની !

આ ખસી ખસીને પાછું સાત ફેરા સુધી ફાઉન્ડેશન સાથે ખેંચવાનું, એટલે પછી દૂર બેસીને જોવાની ટેવ પડી ગઈ. ત્યાં જઈએને તે લગનમાં જોવાની, જ્ઞાતા-દ્રષ્ટા રહેવાની ટેવ પડી ગયેલી. જ્ઞાન નહીં થયેલું. એમ ને એમ જ્ઞાતા-દ્રષ્ટા, વ્યવહારિક જ્ઞાતા-દ્રષ્ટા !

પણ આ અમારી કળા છે ! જમીએ-કરીએ, આઈસ્ક્રીમ ખઈએ, બધું કરીએ. હું તો કયો ઘોડો પહેલો આવે છે જોયા કરું છું. હા, આપણે જોવું કે પેલો ઘોડો પહેલો આવ્યો. આપણે એમાં દોડવું નહીં. આપણે જ્ઞાતા-દ્રષ્ટા રહેવું. આ ઘોડા જોડે ક્યાં દોડીએ ?

મેં પુસ્તકમાં લખ્યું છે કે આ બ્રહ્માંડમાં કોઈ એવી ચીજ નથી કે જે મેં વિચાર્યા વગર બાકી રાખ્યું હોય. આવું ચાલતું હશે ? હાંફી હાંફીને મરી ગયા તો ય હજી સીટ છોડતા નથી. હેય પછી સરસ મજાનું ખાવા-પીવાનું હોય. બીજા કશામાં રસ જ ના આવે ને ! વાત જરા અનુભવમાં આવે એવી છે ને ?

પ્રશ્નકર્તા : બહુ જ સારી મજા આવી.

દાદાશ્રી : એટલે વાત વ્યવહારિક તમે સમજી જાવને, તો વ્યવહાર પેલો પાકો થઈ ગયો. આદર્શ થઈ ગયો એટલે ઓલરાઈટ થઈ ગયો.

આમાં અનંત અવતાર, પછી પણ છેતરાય !

જ્યાં જુઓ ત્યાં 'રેસકોર્સ'. કારણ કે આ લોક બધા 'રેસકોર્સ'માં ઊતરેલા છે. ઘેર 'વાઈફ' જોડે ય 'રેસકોર્સ' ઉત્પન્ન થયેલું હોય ! બે બળદ જોડે ચાલતા હોય ને એક જરા આગળ થવા જાયને, તો બીજો જોડેવાળા હોય ને, એ ય જોર કરે પછી.

પ્રશ્નકર્તા : એવું શાથી ?

દાદાશ્રી : 'રેસકોર્સ'માં ઊતર્યા હોય તેથી. આ જોડેવાળો આગળ જતો હોય તો આને ઇર્ષા આવે કે કેમ કરીને પેલો પાછળ પડે.

આ ઘોડદોડમાં કોઈનો નંબર લાગેલો નહીં. હું એ ઘોડદોડમાં ઊતરતો નથી. આ ઘોડદોડમાં તો હાંફી હાંફીને મરી જાય તો યે કોઈને નંબર લાગેલો નહીં. તે આમ હોય અક્કલનો ઇસ્કોતરો ! અને છેવટે હાંફીને મરી જાય ત્યારે 'પેલો મને છેતરી ગયો ને પેલો મને છેતરી ગયો' કહેશે. એંસી વર્ષે ય તને છેતરી ગયો ! અનંત અવતાર આ 'રેસકોર્સ'માં દોડ દોડ કરીશ તો ય છેલ્લે દહાડે તું છેતરાઈશ, એવું આ જગત છે. બધું નકામું જશે. ઉપરથી પાર વગરનો માર ખાવાનો. એનાં કરતાં ભાગો અહીંથી, આપણી અસલ જગ્યા ખોળી કાઢો, જે આપણું મૂળ સ્વરૂપ છે.

છૂટવા માટે ગજબની શોધખોળ !

આ તેથી આપણે કહ્યું ને, કે ભઈ, આ તમારા બધાનું સાચું. પણ અમારું આ સ્પર્ધાવાળું નથી. આ અજોડ વસ્તુ છે. તારે હલકું કહેવું હોય તો હલકું કહે, ભારે કહેવું હોય તો ભારે કહે. પણ આ છે અજોડ ! આની સ્પર્ધામાં કોઈ નથી. અમે કોઈની સ્પર્ધામાં નથી. અમને કોઈ પૂછે કે, 'ભઈ, આ ફલાણા લોકોનું કેવું છે ?' તો અમે તરત એમ કહીએ કે, અમને એનાં તરફ કંઈ રાગ-દ્વેષ નથી. જે છે એવું કહી દઈએ. અમારે સ્પર્ધા નથી. લેવાદેવા જ નથી ને ! ને આ સ્પર્ધામાં અમારે નંબર લાવવો નથી. મારે શું કરવાનો નંબરને ? મારે તો કામ સાથે કામ છે.

અમારી પાસે ય આડું બોલનારા આવે ત્યારે હું કહું કે, 'આ તો અમે આવું જાણતા જ નહોતા. તમે કહ્યું ત્યારે અમે જાણ્યું. અને તમે તો બધું જાણીને બેઠેલા છો.' એમ કહીને એને પાછો કાઢીએ. હા, નહીં તો એને હરાવીએ તો એને ઊંઘ ના આવે અને આપણને દોષ ચોંટે. તો એના કરતાં સૂઈ જા ને ! 'તું અમારાથી જીત્યો. માટે ઘેર જઈને રેશમી ચાદર પાથરીને તું સૂઈ જા.' અમે એવું કહીએ છીએ ઘણાં લોકોને. એના મનમાં એમ કે લાવ ને, થોડુંક જીતીએ. એટલે આપણે કહીએ કે તું જીત્યો, લે ! એને જો હરાવીએ ને, તો એને ઊંઘ ના આવે. અને મને તો હારીને ય ઊંઘ આવવાની છે. જેમ હારું છું એમ વધારે ઊંઘ આવે છે.

હારવાનું શોધી કાઢો ! આ નવી શોધખોળ છે આપણી. એ જીતેલો માણસ કોઈક દહાડો ય હારે. પણ જે હારીને બેઠા ને, તે કોઈ દહાડો ય હારે નહીં. જીતવા નીકળ્યોને, ત્યાંથી જ નાપાસ કહેવામાં આવે છે. આ લઢાઈઓ નથી. શાસ્ત્રમાં જીતવા નીકળ્યો કે ગમે તેમાં જીતવા નીકળ્યો, પણ જીતવા નીકળ્યો માટે તું નાપાસ !

આ જ્ઞાન બિનહરીફ જ્ઞાન છે. હરીફવાળું આ જ્ઞાન ન્હોય. તેથી તો દુર્લભ, દુર્લભ, દુર્લભ કહ્યું ને ! 'જ્ઞાની પુરુષ' મળવા દુર્લભ છે !

તો પર્સનાલિટી પડે !

આ જગતને કોઈ જીતી શકેલો જ નહીં. તેથી અમારી બહુ ઊંડી શોધખોળ છે કે જે આ જગતને જીતાડે. 'અમે તો હારીને બેઠા છીએ, તારે જીતવું હોય તો આવ' કહીએ. આ અમારી શોધખોળ બહુ ઊંડી છે. 'વર્લ્ડ' આખું અજાયબ પામે એવી શોધખોળ છે, ને અમે જીત્યા આ જગતને ! બાકી, આ જગતને કોઈ જીતેલો જ નહીં. અમારી એવી એક એક શોધખોળ છે કે જે જીતાડે એવી શોધખોળ છે. હાં, એક એક શોધખોળ ! આ 'અક્રમ વિજ્ઞાન' છે ! વિજ્ઞાન જ આખું અક્રમ છે. ક્રમમાં તો આવું હોય નહીં ને ! ક્રમિકમાં તો એવું ના બોલાય કે મારામાં બરકત નથી.

આ 'અક્રમ વિજ્ઞાન' છે. તમે 'રેસકોર્સ' માંથી ખસ્યા કે તરત 'પર્સનાલિટી' પડશે. 'રેસકોર્સ'માં 'પર્સનાલિટી' ના પડે, કોઈની જ ના પડે !

જીતાડીને જવા દો !

અનંત અવતાર આનું આ જ કર્યું છે. બીજું શું કર્યું છે તે ? બીજો ધંધો શું કર્યો છે ? પણ હવે આ 'જ્ઞાન' છે તો ફરે. નહીં તો ફરે નહીં ને ! આ 'જ્ઞાન' છે તે પોતાનો દોષ દેખાડી શકે આપણને ! અને આપણને માન્યામાં ય આવે કે ના, ખરેખર આપણો જ દોષ છે. પેલું તો કોઈકને પૂછવા જવું પડે. ત્યારે એ તો શું મોટો બરકતવાળો હોય, તે આપણું કહી આપે ? આપણને પોતાને જ લાગવું જોઈએ કે આપણો દોષ છે આ. એટલે જીતવાની કંઈ જરૂર નથી. અમે કાયમને માટે એ રાખેલું. જીતવાનો તો કોઈ દહાડો 'પ્રિન્સિપલ' રાખેલો જ નહીં. એને જીતાડીને મોકલી દઉં. અને હું એ ભૂલી જ જઉં અને એ ય બીજા ધંધામાં પડી જાય. અને જો હું હરાવીને મોકલું, તે પછી તાંતે ચઢે. તાંતે ચઢ્યો પછી એ છોડે જ નહીં. માટે પહેલેથી જ આપણે જીતાડીને મોકલી દેવા.

પ્રશ્નકર્તા : કે હું હાર્યો ને તું જીત્યો, ભાઈ.

દાદાશ્રી : એવું મોઢે નહીં કહેવાનું. નહીં તો એના મનમાં એમ થાય કે 'ઓહોહો ! ટાઢા પડી ગયા. બરોબર છે !'

પ્રશ્નકર્તા : મોઢે કહીએ તો શું થાય ?

દાદાશ્રી : મોઢે કહીએ ત્યારે તો પાછો તંતે ચઢે કે, 'એવું અમારે જીતવું નથી.' મને એક જણે કહેલું હઉને ! મેં એવું કહેલું કે, 'ભઈ, હું તો હારીને બેઠેલો છું. તમે જીત્યા હવે. નિરાંતે ઘેર જઈને સૂઈ જાવ, આરામથી.' ત્યારે એ કહે, 'એવું મારે જોઈતું નથી.' ત્યારે મેં કહ્યું, 'સવાદ નહીં કાઢો.' એટલે તંતે ચઢે ! આમ બોલીએ તો આમ ને આમ બોલીએ તો આમ ! વાંધા-વચકાવાળું જગત ! એને તો વાંધો-વચકો નાખવો જ છે અને આપણે તો આ વાંધા-વચકા ઊઠાવી લઈએ, ઊલટાં હોય તે.

હરાવવામાં જોખમ !

હવે 'દાદા'નાં જ્ઞાનને તો આપણે દીપાવવાનો પ્રયત્ન કરવાનો છે. પણ છતાં ય ના દીપ્યું, તો રહ્યું. એનો કંઈ તાંતો ઓછો પકડવાનો છે ? આપણા પ્રયત્નો 'પોઝિટિવ' હોવાં જોઈએ. સંજોગો 'નેગેટિવ' કરે, તેને આપણે શું કરવાના હતા ? એવી પકડ પકડાતી હશે ? પણ ના, આ તો તાંતો જ હોય છે કે હરાવવા જ ! હાર-જીતના ખેલ ! અમે તો કોઈને હરાવવું એ ભયંકર જોખમ માનીએ છીએ. પછી પેલો તૈયારી કરે આપણને હરાવવાની, એના કરતાં એને જીતાડીને મોકલી દો ! તો ભાંજગડ નહીં. સામાને જીતાડીને મોકલી દઈએ. પછી છે કશી ભાંજગડ ? આપણા તરફની વાત જ ના રહેને ! પછી એ બીજો વેપાર ચાલુ કરી દે. એને હરાવીએ તો આપણા તરફની બધી ભાંજગડ ઊભી ને ? જીતાડીને મોકલીએ તો બીજો વેપાર ચાલુ કરી દે એ !

એમાં 'રેસકોર્સ' જ નહીં !

અત્યાર સુધી તો ગુરુતમ થવાનો પ્રયત્ન કર્યો હતો ને ? હા, આમનાં કરતાં હું મોટો થઉં, આમનાં કરતા હું મોટો થઉં ! જુઓ ને, 'રેસકોર્સ' ચાલ્યો છે. તેમાં ઈનામ કોને ? પહેલા ઘોડાને જ ફક્ત. ને બીજા બધાને ? દોડે એટલું જ. એટલું દોડે, તો યે એમને ઇનામ નહીં.

પ્રશ્નકર્તા : દાદા, લઘુતમ પદની અંદર 'રેસકોર્સ' ખરું ?

દાદાશ્રી : ના, 'રેસકોર્સ' હોય નહીં. લઘુતમ આવ્યું ત્યાં 'રેસકોર્સ' હોય નહીં. 'રેસકોર્સ' તો ગુરુતમમાં હોય બધું. એટલે મારે તો લઘુતમ પદ અને બુદ્ધિ નહીં, તેથી મારે કોઈની જોડે લેવાય નહીં ને દેવા ય નહીં ને ! બુદ્ધિનો છાંટો જ નહીં ને !

લઘુતમ અહંકારથી મોક્ષ તરફ !

પ્રશ્નકર્તા : એ લઘુતમનો અર્થ કેવી રીતે કર્યો ? જે આપણો અહંકાર છે એ અહંકાર ઝીરો ડિગ્રી પર આવે એ લઘુતમ છે ?

દાદાશ્રી : નહીં. અહંકાર તો એમનો એમ જ છે. પણ અહંકારની માન્યતા એવી થાય છે કે હું બધાથી નાનો છું અને એ પણ એક જાતનો અહંકાર જ છે. એવું છે, આ લઘુનો અર્થ 'નાનો છું' થયું. પછી લઘુતર એટલે કે નાનાથીયે હું નાનો છું. અને લઘુતમ એટલે મારાથી બધા જ મોટા છે એવો અહંકાર. એટલે એ પણ એક જાતનો અહંકાર છે !

હવે જે ગુરુતમ અહંકાર છે, એટલે કે મોટા થવાની ભાવનાઓ, હું આ બધાથી મોટો છું એવી માન્યતાઓ છે, એનાથી આ સંસાર ઊભો થયો છે. જ્યારે લઘુતમ અહંકારથી મોક્ષ તરફ જવાય. લઘુતમ અહંકાર એટલે 'હું તો આ બધાથી નાનો છું' એમ કરીને વ્યવહાર બધો ચલાવવો. એનાથી મોક્ષ તરફ ચાલ્યો જાય. 'હું મોટો છું' એવું માને છે તેથી આ જગત 'રેસકોર્સ'માં ઊતરે છે અને એ બધા ભાન ભૂલીને અવળે રસ્તે જઈ રહ્યા છે. જો લઘુતમનો અહંકાર હોયને, તે લઘુ થતો થતો એકદમ લઘુતમ થઈ જાય. એટલે એ પરમાત્મા થઈ જાય !

વ્યવહારથી છોડાવે વિજ્ઞાન !

એટલે આ 'અક્રમ વિજ્ઞાન' બહુ સારું છેને ! આ 'દાદા'ના કહ્યા પ્રમાણે ચાલેને, તો આ બધી ભરહાડથી છૂટા થઈ જવાય, મહીં નાટકીય રહીએ આપણે, ને આ લોકો જોડેના વ્યવહારનો ઉકેલ આવે. વ્યવહાર બધો ઉકેલીએ નહીં, તો લાલ વાવટો ધરે. આ તો કોઈ લાલ વાવટો ધરે જ નહીં ને ! આ રસ્તો જ ક્લિયર રસ્તો છે. આ 'વિજ્ઞાન' જ જુદી જાતનું છે. આપણે કોઈની પાસે કશું લેવાનું કંઈ કપટ નથી, એ નિર્વિવાદ વાત છે. અને કોઈની જોડે આપણને 'આ આપણું ને આ પરભાર્યું' એવું કશું છે નહીં, એ પણ નિર્વિવાદ વાત છે. એટલે આપણે પછી શી ભાંજગડ ?

એક્સપર્ટ આત્મવિજ્ઞાનમાં !

આ વિજ્ઞાન છે. આમાં જો એક્સપર્ટ હોયને તો પછી ત્યાં આગળ રૂબરૂ જાતે જઈને કામ કાઢી લેવાનું હોય. બીજું કશું પુસ્તકો ને બધું બાજુએ જ મૂકી દેવાનાં. એક્સપર્ટ ના હોય તો શાસ્ત્રો છે જ, માથાફોડ્યાં કરો. અને નહીં તો પછી એક્સપર્ટ હોય તો શાસ્ત્રોની શી જરૂર છે ? એક્સપર્ટ એટલે 'જોઈને' કહે છે આ બધું ! આ કંઈ શાસ્ત્રો વાંચીને કહેતા નથી. છૂટા રહીને કહે છે.

કરોડો અવતારે નથી થાય એવું. આ તો આત્માના એક્સપર્ટ મળ્યાંને, તો કામ થઈ જાય. આ તો હું નાપાસ થયો, તે તમારે કામ લાગ્યો. કેવળજ્ઞાનમાં નાપાસ થયો, પડી રહ્યો. તે આ તમારે કામ લાગ્યો, મોનીટર તરીકે. મોનીટર હોય છેને ? અને વિજ્ઞાન, વિજ્ઞાન છે. આખુંય વિજ્ઞાન છે. બિલકુલ અવિરોધાભાસ, આખું વિજ્ઞાન છે અને છે વીતરાગ વિજ્ઞાન. તીર્થંકરોનું છે, મારું નથી, આની માલિકી મારી નથી.

આ અમે જ્ઞાની પુરુષ તો મહાવીર શાસનનાં શણગાર કહેવાય. હા, શાસન અમારું નહીં !

કોર્સ, 'દાદાઈ કૉલેજ'નો !

ને અહીં આ તો 'અક્રમ વિજ્ઞાન' છે, જુદી જાતનું, ઓર જ જાતનું વિજ્ઞાન છે. કેવું લાભકારી છેને ?

પ્રશ્નકર્તા : કોઈ શીખે ને કરે તો ?

દાદાશ્રી : હા, અમારો શબ્દ જો શીખ્યો ને એના પ્રમાણે ચાલ્યો તો તો કામ જ થઈ ગયું. 'જ્ઞાની પુરુષ'નો એક અક્ષર જ જો સમજમાં આવ્યો તો કલ્યાણ જ થઈ જાય !! બાકી, થર્ડમાંથી ફોર્થમાં ક્યારે જઈએ ? એનાં કરતાં આ 'દાદા' મેટ્રિકની બહાર 'ફર્સ્ટ ઇયર'માં બેસાડી દે ! પેલા લોકો તો 'ફીફથ'માં, 'સીકસ્થ'માં છે; ને આપણે જાતે તો થર્ડમાંથી પાસ થવાતું નથી. એનાં કરતાં 'દાદા' કહે છે તે પ્રમાણે હેંડો ને, એટલે ઉકેલ આવી ગયો. નહીં તો આ લોકો તો કર્મ બંધાવડાવવા આવે કે, 'તમે આમ કરી આપો, તેમ કરી આપો.' અમારી પાસે તો હવે ચકલું જ ફરકતું નથી ને ! આવતું ય નથી ને જતું ય નથી ! આડોશી ય ના આવે ને પાડોશી ય ના આવે !!! અને કોઈ 'ખરાબ છે' એવું ય કહે નહીં, 'બહુ સારા માણસ છે' એવું કહેશે.

એટલે રસ્તો અમારો બહુ સરસ, કીમિયાગીરી રસ્તો ને 'સેફસાઈડ'વાળો. નહીં તો આ થર્ડમાંથી ફોર્થમાં જવું મુશ્કેલ છે. જો આ લોકોની લાઈનમાં એમનાં પ્રમાણે ચાલવા ગયા ને, તો 'થર્ડ'માંથી 'ફોર્થ'માં જવું બહુ અઘરું છે. અને આ કાળમાં એવી 'કેપેસિટી' ય ના હોય. એના કરતાં આપણે 'ફર્સ્ટ ઇયર' ઇન કોલેજ, ગ્રેજ્યુએટની મહીં, દાદાઈ કોલેજમાં હવે બેસી ગયા છીએ. તે વડાં ને બધું ખાવાનું નિરાંતે. લોક ભોક્તા નહીં ને આપણે ભોક્તા ! આમને તો ભોગવવાનું હોય જ નહીં ને ! દોડ દોડ જ કરવાનું ! ઈનામ લાવવાનું છે ને ?!

આ 'એડમિશન' લેવા જાય ને લઈ લે એટલું જ નથી અને 'એડમિશન' લઈને પછી ના આવીએ એટલું પણ નથી આ. આ તો પૂરું કરી લેવા જેવું છે. આ એક 'કોર્સ' આખો પૂરો કરી લેવા જેવો છે. અનંત અવતારમાં આ 'કોર્સ' પૂરો કર્યો નથી, ને જો કોર્સ પૂરો કર્યો હોત તો નિર્ભયતા આવી જાય ! એની તો વાત જ જુદી છે ને !

જય સચ્ચિદાનંદ