દાદા ભગવાન પ્રરૂપિત

અહિંસા

સંકલન : ડૉ. નીરુબહેન અમીન

Table of Contents
સંપાદકીય
અહિંસા

સંપાદકીય

હિંસાના સાગરમાં હિંસા જ હોય, પણ હિંસાના સાગરમાં અહિંસા પ્રાપ્ત કરવી હોય તો પરમ પૂજ્ય દાદાશ્રીના મુખે વહેલી અહિંસાની વાણી વાંચી, મનન કરી ફોલો થાય તો જ થાય તેમ છે. બાકી, સ્થૂળ અહિંસા ખૂબ ઊંડે સુધી પાળનારા પડ્યા છે પણ સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ અહિંસા જાણવી જ અઘરી છે. તો તેની પ્રાપ્તિની વાત જ ક્યાં રહી ?

સ્થૂળ જીવોની હિંસા તેમજ સૂક્ષ્માતીસૂક્ષ્મ જીવોની હિંસા, જેમ કે વાયુકાય-તેઉકાય વિગેરેથી માંડીને ઠેઠ ભાવહિંસા, ભાવમરણ સુધીની સાચી સમજ જો ના વર્તે તો તે પરિણમતું નથી ને માત્ર શબ્દમાં કે ક્રિયામાં જ અહિંસા અટકે છે.

હિંસાના યથાર્થ સ્વરૂપનું દર્શન તો જે હિંસાને સંપૂર્ણ ઓળંગીને સંપૂર્ણ અહિંસક પદમાં બેઠા છે તે જ કરી-કરાવી શકે ! ‘પોતે’ ‘આત્મસ્વરૂપ’માં સ્થિત થાય ત્યારે એ એક જ એવું સ્થાન છે, જ્યાં સંપૂર્ણ અહિંસા વર્તાય ! અને ત્યાં તો તીર્થંકરો અને જ્ઞાનીઓની જ વર્તના !!! હિંસાના સાગરમાં સંપૂર્ણ અહિંસકપણે વર્તે છે એવા જ્ઞાની પુરુષ થકી પ્રકાશમાન થયેલું હિંસા સંબંધનું, સ્થૂળહિંસા-અહિંસાથી માંડીને સૂક્ષ્મતમ હિંસા-અહિંસા સુધીનું સચોટ દર્શન અત્રે સંકલિત કરી એ અંતર-આશયથી પ્રકાશિત કરવામાં આવ્યું છે, કે જેથી કરીને ઘોર હિંસામાં જકડાયેલાં આ કાળના મનુષ્યોની દ્રષ્ટિ કંઈક બદલાય ને આ ભવ-પરભવનું શ્રેય તેમના થકી સંધાય.

બાકી દ્રવ્ય હિંસાથી તો કોણ બચી શકે ? ખુદ તીર્થંકરોએ પણ નિર્વાણ પહેલાં છેલ્લો શ્વાસ લઈને છોડેલો ત્યારે કેટલાંય વાયુકાય જીવો મરેલા ! તેવી હિંસાનો દોષ તેમને જો ત્યારે લાગતો હોય તો તેમને તે પાપ માટે ફરી પાછાં કોઈને ત્યાં જન્મવું જ પડે. તો મોક્ષ શક્ય ખરો ? માટે એમની પાસે એવી તે કઈ પ્રાપ્તિ હશે કે જેના આધારે તે સર્વ પાપોથી, પુણ્યોથી ને ક્રિયામાત્રથી મુક્ત રહ્યા ને મોક્ષે ગયા ? એ તમામ રહસ્યો પ્રગટ જ્ઞાની, કે જેના હૃદયમાં તીર્થંકરોના હૃદયનું જ્ઞાન જેમ છે તેમ પ્રકાશ્યું હોય તે જ કરી શકે અને તે અત્રે જેમ છે તેમ પ્રકાશિત થાય છે. આ કાળના જ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીના શ્રીમુખેથી વહેલી વાણી અહિંસાના ગ્રંથ દ્વારા સંકલિત થઈ છે, જે મોક્ષમાર્ગના ચાહકોને અહિંસા માટે અતિ અતિ સરળ ગાઈડ સ્વરૂપે ઉપયોગી નિવડશે.

- ડૉ. નીરુબેન અમીન

‘દાદા ભગવાન’ કોણ ?

જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતાં સુરતનાં સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભૂત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ? ’ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા !

એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફ્ટ માર્ગ ! શોર્ટકટ !!

તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’નો ફોડ પાડતા કહેતાં કે, ‘‘આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ ન્હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદલોકના નાથ છે, એ તમારામાંય છે, બધામાંય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.’’

આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રત્યક્ષ લિંક

પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. દાદાશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન (નીરુમા)ને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. દાદાશ્રીના દેહવિલય બાદ નીરુમા તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવતા હતા. પૂજ્ય દીપકભાઈ દેસાઈને દાદાશ્રીએ સત્સંગ કરવા માટે સિદ્ધિ આપેલ. નીરુમાની હાજરીમાં તેમના આશીર્વાદથી પૂજ્ય દીપકભાઈ દેશ-વિદેશોમાં ઘણાં ગામો-શહેરોમાં જઈને આત્મજ્ઞાન કરાવી રહ્યા હતા. જે નીરુમાના દેહવિલય બાદ ચાલુ જ રહેશે. આ આત્મજ્ઞાન મેળવ્યા બાદ હજારો મુમુક્ષુઓ સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે.

(પા.૧)

અહિંસા

પ્રયાણ, ‘અહિંસા પરમોધર્મ’ પ્રતિ

પ્રશ્નકર્તા : ‘અહિંસાના માર્ગે ધાર્મિક, આધ્યાત્મિક ઉન્નતિ’ એ વિષય પર સમજૂતી આપશો.

દાદાશ્રી : અહિંસા એ જ ધર્મ છે અને અહિંસા એ જ અધ્યાત્મની ઉન્નતિ છે. પણ અહિંસા એટલે મન-વચન-કાયાથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય એ જાણપણામાં રહેવું જોઈએ, શ્રદ્ધાપણામાં રહેવું જોઈએ, તો એ બની શકે.

પ્રશ્નકર્તા : ‘અહિંસા પરમોધર્મ’ એ મંત્ર જીવનમાં કેવી રીતે કામ લાગે ?

દાદાશ્રી : એ તો સવારના પહોરમાં બહાર નીકળતી વખતે ‘મન-વચન-કાયાથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો’ એવી પાંચ વખત ભાવના કરી અને પછી નીકળવું. પછી કોઈને દુઃખ થઈ ગયું હોય, તે નોંધમાં રાખીને એનો પશ્ચાત્તાપ કરવો.

પ્રશ્નકર્તા : કોઈને પણ દુઃખ ના આપવું એવું જીવન આ કાળમાં કેવી રીતે જીવાય ?

દાદાશ્રી : એવો તમારે ભાવ જ રાખવાનો છે અને એવું સાચવવું. ના સચવાય તેનો પશ્ચાત્તાપ કરવો.

(પા.૨)

પ્રશ્નકર્તા : આપણી આજુબાજુ સંકળાયેલા જીવોમાંથી કોઈ જીવને દુઃખ ના થાય એવું જીવન શક્ય છે ખરું ? આપણી આજુબાજુમાં દરેક જીવને દરેક સંજોગમાં સંતોષ આપી શકાય ?

દાદાશ્રી : જેને એવું આપવાની ઈચ્છા છે તે બધું કરી શકે છે. એક અવતારમાં સિદ્ધ નહીં થાય તો બે-ત્રણ અવતારમાંય સિદ્ધ થશે જ ! તમારો ધ્યેય નક્કી હોવો જોઈએ, લક્ષ જ હોવું જોઈએ, તો સિદ્ધ થયા વગર રહેતું જ નથી.

ટળે હિંસા, અહિંસાથી...

પ્રશ્નકર્તા : હિંસા અટકાવવા શું કરવું ?

દાદાશ્રી : નિરંતર અહિંસકભાવ ઉત્પન્ન કરવા જોઈએ. મને લોકો કહે છે કે, ‘હિંસા અને અહિંસા ક્યાં સુધી પાળવી ?’ મેં કહ્યું, હિંસા અને અહિંસાનો ભેદ મહાવીર ભગવાન પાડીને જ ગયા છે. એ જાણતા હતા કે પાછળ દુષમકાળ આવવાનો છે. ભગવાન કંઈ નહોતા જાણતા કે હિંસા કોને કહેવી ને હિંસા કોને ના કહેવી ? ભગવાન મહાવીર શું કહે છે કે હિંસાની સામે અહિંસા રાખો. સામો માણસ હિંસાનું હથિયાર વાપરે તો આપણે અહિંસાનું હથિયાર વાપરો, તો સુખ આવશે. નહીં તો હિંસાથી હિંસા કોઈ દહાડો બંધ થવાની નથી. અહિંસાથી હિંસા બંધ થશે.

સમજ, અહિંસા તણી

પ્રશ્નકર્તા : લોકો હિંસા તરફ ખૂબ જાય છે, તો અહિંસા તરફ વાળવા શું કરવું ?

દાદાશ્રી : આપણે એમને સમજ પાડવી જોઈએ. સમજ પાડીએ તો અહિંસા તરફ વળે કે ‘ભઈ, આમાં, આ જીવમાત્રમાં ભગવાન રહેલા છે. તે તમે જીવોને મારશો તો એને બહુ દુઃખ થશે, તેનો તમને દોષ બેસશે અને તેથી તમને આવરણ આવશે અને ભયંકર અધોગતિમાં જવું પડશે.’ આવું સમજણ પાડીએ તો રાગે પડે. જીવહિંસાથી તો બુદ્ધિ પણ બગડી જાય. એવું

(પા.૩)

કોઈને સમજણ પાડો છો ?

પ્રશ્નકર્તા : પણ અહિંસા પ્રત્યેની આપણી ચૂસ્ત પાળવાની લાગણી હોય, પરંતુ અમુક વ્યક્તિ તેમાં બિલકુલ ના માનતી હોય તો શું કરવું ?

દાદાશ્રી : આપણી ચૂસ્તપણે અહિંસા પાળવાની લાગણી હોય તો આપણે અહિંસા પાળવી. છતાં અમુક વ્યક્તિ ના માનતી હોય તો એને ધીમે રહીને સમજાવવી. એય ધીમે ધીમે સમજણ કરાવીએ, તેથી એ માનતી થાય. આપણો પ્રયત્ન હશે તો એક દહાડો થશે.

પ્રશ્નકર્તા : હિંસા અટકાવવાના પ્રયત્નોમાં નિમિત્ત બનવા આપે અગાઉ સમજ આપી. જે અહિંસાના આચારને ન માનતા હોય તો તેમને પ્રેમપૂર્વક સમજાવીને વાત કરવી. પણ પ્રેમપૂર્વક સમજાવવા છતાં ન માને તો શું કરવું ? હિંસા ચાલવા દેવી કે શક્તિ દ્વારા અટકાવવાનો પ્રયત્ન કરવો યોગ્ય ગણાય ?

દાદાશ્રી : આપણે ભગવાનની ભક્તિ એવી રીતે કરવી, જે ભગવાનને તમે માનતા હોય તેની, કે ‘હે ભગવાન, દરેકને હિંસા રહિત બનાવો.’ એવી તમે ભાવના કરજો.

માકણ, એક સમસ્યા (?)

પ્રશ્નકર્તા : ઘરમાં માકણ બહુ વધી ગયા હોય તો શું કરવું ?

દાદાશ્રી : એક ફેરો મારે ઘેર પણ માકણ વધી ગયા હતા ને ! બહુ વર્ષોની વાત છે. તે બધાં અહીં ગળા પર કરડે ને, ત્યારે હું અહીં પગ પર મૂકતો હતો. અહીં ગળા પરનું એકલું સહન થતું નહોતું, એટલે અહીં ગળા પર કરડે તો પગ પાસે મૂકતો હતો. કારણ કે આપણી હોટલમાં આવ્યો અને કોઈ ભૂખ્યો જાય, એ નકામું કહેવાય ને ?! એ આપણે ત્યાં જમીને જાય તો સારું ને ! પણ તમને એટલી બધી શક્તિ નહીં આવે. એટલા માટે તમને એમ નથી કહેતો. તમારે તો માકણ પકડી અને બહાર નાખી આવવું. એટલે તમને મનમાં સંતોષ થાય કે આ માકણ બહાર ગયો.

(પા.૪)

હવે નિયમ એવો છે કે તમે લાખ માકણ બહાર નાખી આવો ને, પણ આજે રાત્રે સાત કૈડવાના હોય તો સાત કૈડ્યા વગર રહેવાના નથી. તમે મારી નાખશો તો યે સાત કૈડશે, ઘરની બહાર નાખી આવશો તો યે સાત કૈડશે, દૂર નાખી આવશો તો યે સાત કૈડશે ને કશું નહીં કરો તો યે સાત કૈડશે.

એ માકણ શું કહે છે ? ‘જો તું ખાનદાન હોઉં તો અમને અમારો ખોરાક લેવા દે ને ખાનદાન ના હોઉં તો અમે એમ ને એમ જમી જઈશું, પણ તમે ઊંઘી જશો ત્યારે. માટે તું પહેલેથી ખાનદાની રાખ ને !’ એટલે હું ખાનદાન બની ગયેલો. આખા શરીરે કૈડતા હોય ને, તો કૈડવા દઉં. માકણ મારા હાથમાં પકડાઈ હઉ જાય. પણ તેને અહીં પગ ઉપર પાછો મૂકી દઉં. નહીં તોય પછી ઊંઘમાં તો આખુંયે જમી જાય છેને ! અને તે માકણ જોડે લઈ જવાનું બીજું વાસણ નથી લાવ્યો. એનાં પોતા પૂરતું ખાઈને પછી ઘેર જતો રહે છે અને પાછું એવું યે નથી કે નિરાંતે દસ-પંદર દહાડાનું ભેગું જમી લે ! માટે એને ભૂખ્યા કેમ કઢાય ?! હેય ! કેટલાં જમીને જાય, નિરાંતે ! તે રાતે આપણને આનંદ થાય કે આટલા બધા જમીને ગયા, બે માણસને જમાડવાની શક્તિ નથી ને આ તો આટલા બધાને જમાડ્યા !

માકણમારા, તમે માકણ મેકર છો ?

પ્રશ્નકર્તા : પણ ઘરમાં માકણ-મચ્છર-વાંદા હેરાન કરે તો આપણે પગલાં લેવાં જોઈએ ?

દાદાશ્રી : માકણ-મચ્છર-વાંદાઓ ન થાય તે માટે આપણે પોતું ને એ બધું કરવું જોઈએ, ચોખ્ખું રાખવું જોઈએ. વાંદાઓ જે થયા હોય, તેને પકડીને આપણે બહાર કોઈ જગ્યાએ, બહુ છેટે, ગામની બહાર છેટે જઈને નાખી આવવા જોઈએ. પણ એમને મારવા તો ના જ જોઈએ.

બહુ મોટો કલેક્ટર જેવો એક માણસ હતો. એને ઘેર મને એણે બોલાવેલો. મને કહે છે, ‘માકણ તો મારી નાખવા જ જોઈએ.’ મેં કહ્યું, ‘ક્યાં લખ્યું છે એવું ?’ ત્યારે એ કહે છે, ‘પણ એ તો આપણને કરડે છે ને આપણું

(પા.૫)

લોહી ચૂસી જાય છે.’ મેં કહ્યું કે, ‘‘તમને મારવાનો અધિકાર કેટલો છે એ તમને કાયદેસર રીતે સમજાવું. પછી મારો કે ના મારો, તેમાં હું તમને કશું નથી કહેતો. આ જગતમાં કોઈ પણ માણસ એક માકણ પોતે બનાવી આપે તો પછી મારજો. જે તમે ‘ક્રિયેટ’ કરી શકો છો, તેનો તમે નાશ કરી શકો છો. તમે ‘ક્રિયેટ’ નથી કરતા, એનો નાશ તમે કરી ના શકો.’’

એટલે જે જીવ તમે બનાવી શકો છો, તેને મારવાનો અધિકાર છે. તમે જો બનાવી ના શકતા હોય, જો તમે ‘ક્રિયેટ’ ના કરી શકતા હો તો મારવાનો તમને અધિકાર નથી. આ ખુરશી તમે બનાવો તે ખુરશી ભાંગી શકો છો, કપરકાબી બનાવો તો ભાંગી શકો છો પણ જે બનાવી શકાય નહીં, તે મારવાનો તમને અધિકાર નથી.

પ્રશ્નકર્તા : તો એ કરડવા શું કરવા આવે છે ?

દાદાશ્રી : હિસાબ છે તમારો તેથી આવે છે અને આ દેહ કંઈ તમારો નથી, તમારી માલિકીનો નથી. આ બધો માલ તમે ચોરી લાવ્યા છો, ત્યારે એમાંથી પેલા માકણ તમારી પાસેથી ચોરીને લઈ જાય છે. એ બધા હિસાબ ચૂકતે થાય છે. માટે હવે મારશો-કરશો નહીં.

ભગવાનની વાડીને ન લૂંટાય

એવું છે, અહીં બગીચો હોય અને બગીચાની બહાર વાડો હોય. અને વાડાની બહાર ગલકાં-દૂધી એ બધું લટકતું હોય, એના મૂળ માલિકના સ્પેસની બહાર લટકતું હોય તોય પણ લોક શું કહે છે ? ‘હેય, આ તો પેલા સલિયાની વાડી છે, ના તોડીશ. નહીં તો મિયાંભાઈ મારી મારીને તેલ કાઢી નાખશે.’ અને કોઈ આપણા લોકોનું હોય તો લોક તોડી જાય. કારણ કે એ જાણે કે આ વાડી તો અહિંસક ભાવવાળાની છે. એ તો જવા દે. લેટ ગો કરે. અને સલિયો તો સારી પેઠ માર આપે. એટલે સલિયાની વાડી પરથી એક ગલકું કે દૂધી લેવાતું નથી, તો આ ભગવાનની વાડી પરનો માકણ શું કરવા મારો છો ? ભગવાનની વાડી તમે લૂંટો છો ? આપને સમજમાં આવ્યું ? એટલે એક પણ જીવને ના મરાય.

(પા.૬)

તપો, પ્રાપ્ત તપો

પ્રશ્નકર્તા : પણ માકણ ચટકો ભરે તેનું શું ?

દાદાશ્રી : પણ એનો ખોરાક જ લોહી છે. એને કંઈ આપણે ખીચડી આપીએ તો ખાય ? એને બહુ ઘી નાખીને ખીચડી આપીએ તોય ખાય ? ના. એનો ખોરાક જ ‘બ્લડ’ છે.

પ્રશ્નકર્તા : પણ એને કરડવા દેવો એ વ્યાજબી નથી જ ને ?

દાદાશ્રી : પણ અપવાસ કરીને મહીં લ્હાય બળે છે તે ચલાવી લેવી ? ત્યારે આ તપ કરો ને ! આ તપ તો પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. જાતે ઊભા કરેલાં તપ શું કરવા કરો છો ? આવી પડેલાં તપ કરો ને ! એ આવી પડેલાં તપ એ પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે અને ઊભાં કરેલાં તપ એ સંસારનું કારણ છે.

પ્રશ્નકર્તા : હા, બહુ મઝાની વાત કહી. પેલું બહુ તાણીને તપ કરીએ છીએ, એના કરતાં આ જે આવી પડે તે તપ થવા દો.

દાદાશ્રી : હા, પેલું તો આપણે ખેંચીને લાવીએ છીએ અને આ તો પ્રાપ્ત છે, આવી પડેલું છે નિરાંતે ! આપણે બીજાને કંઈ બોલાવવા નથી જતા. જેટલા માકણ આવ્યા હોય એટલા જમો નિરાંતે, તમારું ઘર છે. તે જમાડીને મોકલીએ.

માતાએ સંસ્કાર્યો અહિંસા ધર્મ

અમારાં મધર મારાથી છત્રીસ વર્ષ મોટાં. મેં મધરને પૂછયું કે, ‘ઘરમાં માકણ થયા છે તે તમને કૈડતા નથી ?’ ત્યારે મધર કહે છે, ‘‘ભઈ, કૈડે તો ખરા. પણ એ ઓછું કંઈ ફજેટીયું લઈને આવે છે બીજાં બધાંની જેમ કે ‘આપો, અમને માબાપ ?’ એ બિચારો કશું વાસણ લઈને આવતા નથી અને એનું ખાઈને પાછો ચાલ્યો જાય છે !’’ મેં કહ્યું, ધન્ય છે માજી ને ! અને આ દિકરાનેય ધન્ય છે !

કોઈને ઢેખાળો મારીને આવ્યો હોઉં ને, તો માજી મને શું કહે ? ‘એને

(પા.૭)

લોહી નીકળશે. એની મા નથી તો એને બિચારાને દવા કોણ કરશે ? અને તારે તો હું છું. તું માર ખાઈને આવજે, હું તને દવા કરી આપીશ. માર ખાઈને આવજે, પણ મારીને ના આવીશ.’ બોલો હવે, એ મા મહાવીર બનાવે કે ના બનાવે ?

પ્રશ્નકર્તા : અત્યારે તો બધું ઊંધું છે. અત્યારે તો કહેશે, જો માર ખાઈને આવ્યો છે તો !

દાદાશ્રી : આજે નહીં, પહેલેથી જ ઊંધું. અત્યારે આ કાળને લઈને કંઈ ફેર નથી. એ તો પહેલેથી અવળું હતું. આવું જ છે આ જગત ! આમાંથી જેને ભગવાન મહાવીરના શિષ્ય થવું હોય તે થઈ શકે છે, નહીં તો લોકોના શિષ્ય તો થવું જ પડશે. એ ગુરુ, એ બોસ ને આપણે એના શિષ્ય. માર ખાયા જ કરો ને ! એના કરતાં મહાવીર ભગવાન આપણા બોસ તરીકે સારા, એ વીતરાગ તો ખરા. લઢે-કરે નહીં.

સફાઈ રાખો, દવા ના છાંટો

કેટલાંક માકણ મારે-કરે નહીં, પણ ગોદડાં ને એ બધું બહાર તડકામાં સૂકવે. પણ મેં તો તેય અમારે ઘેર ના કહેલું, ગોદડાં સૂકવવાની ના પાડી હતી. મેં કહ્યું, ‘તાપમાં શું કરવા બિચારા માકણને હેરાન કરો છો ?’ ત્યારે એ કહે, ‘ત્યારે એનો ક્યારે પાર આવશે ?’ મેં કહ્યું, ‘માકણ મારવાથી માકણની વસ્તી ઘટી જતી નથી. એ એક અણસમજણ છે કે માકણ મારવાથી ઓછા થાય છે. મારવાથી ઓછા ના થાય. ઓછા લાગે ખરા, પણ બીજે દહાડે એટલાં ને એટલાં જ હોય.’

માટે આપણે તો સાફસૂફી બધી રાખવી જોઈએ. સાફસૂફી થાય તો માકણ ઊભા ના રહે. પણ એની ઉપર દવા છાંટે તો એ ગુનો જ કહેવાય ને ! અને દવાઓથી મરતા નથી. એક ફેરો મરી ગયેલા દેખાય છે, પણ ફરી બીજી જગ્યાએ ઉત્પન્ન થાય છે. માકણનો એક નિયમ હોય છે. મેં શોધખોળ કરેલી આના ઉપર, કે અમુક કાળે એક પણ દેખાતો નથી. કારણ કે આ અમુક કાળવર્તી છે અને જ્યારે એની સિઝન આવે ને ઉભરાય, ત્યારે ગમે તેવી દવા નાખો તો યે ઉભરાયા જ કરશે.

(પા.૮)

પતાવો પેમેન્ટ પટોપટ

પ્રશ્નકર્તા : એ માકણ એનો હિસાબ હોય એટલું જ લેને ?

દાદાશ્રી : અમે તો પહેલેથી પેમેન્ટ ચૂકવી દીધેલું, તે અત્યારે બહુ ભેગા થતાં નથી. પણ અત્યારેય માકણ કોઈ વખત અમારી પાસે આવી જાય તોય તે અમને ઓળખે કે આ અહીં કશું મારવાના નથી, પજવવાના નથી. અમને ઓળખે. એ અંધારામાંય અમારા હાથમાં જ આવે. પણ એ જાણે કે અમને છોડી દેશે. અમને ઓળખે. બીજા બધા જીવને પણ ઓળખે કે આ નિર્દય છે, આ આવો છે. કારણ કે એની મહીં યે આત્મા છે. તો કેમ ના ઓળખે ?!

અને આ હિસાબ તો ચૂકતે કર્યા સિવાય છૂટકો જ નથી. જેનાં જેનાં લોહી પીધાં હશેને, તે એને લોહી પાવાં પડશે. એવું છે ને, પેલી બ્લડ બેન્ક હોય છે ને ? એવી આ માકણ બેન્ક કહેવાય. કોઈ બે લઈને આવ્યો હોય તો બે લઈને જાય. એવું આ બધું બેન્ક કહેવાય, તો બેન્કમાં બધું જમે થઈ જાય.

એ લોહી પીવે કે છોડાવે દેહભાવ ?

એટલે માકણ કૈડતો હોય તો એને ભૂખ્યો ના જવા દેવાય. આપણે આટલા શ્રીમંત માણસને ત્યાંથી એ ગરીબ માણસ ભૂખ્યો જાય એ કેમ પોષાય ?

અને મારું કહેવાનું કે આપણને ના પોષાય તો એને બહાર મૂકી આવવા. આપણને પોષાવું જોઈએ, એને જમાડવાની શક્તિ હોવી જોઈએ. એ શક્તિ ના હોય તો બહાર મૂકી આવવા કે ભઈ, તમે બીજી જગ્યાએ જમી આવો. અને જમાડવાની શક્તિ હોય તો જમાડીને જવા દેવા. અને એ જમીને જશે તો તમને બહુ લાભ આપીને જશે. આત્મા મુક્ત કરી દેશે. દેહમાં જરા ભાવ રહ્યો હશે તે છૂટી જશે. અને આ માકણ શું કહે છે ? ‘તમે ઊંઘો છો શું જોઈને ? તમારું કંઈ કામ કરી લો ને !’ એટલે એ તો ચોકીદાર છે.

નથી એ કાનૂનની બહાર

પ્રશ્નકર્તા : અને આ મચ્છરો બહુ ત્રાસ આપે છે તે ?

(પા.૯)

દાદાશ્રી : એવું છેને, આ જગતમાં કોઈ પણ વસ્તુ ત્રાસ આપે ને, એ કાયદાની બહાર કોઈ ત્રાસ આપી શકે એમ છે જ નહીં. એટલે એ કાયદાની બહાર નથી. તમે કાયદેસર ત્રાસ પામી રહ્યા છો. હવે તમારે બચવું હોય તો તમે મચ્છરદાની રાખો. બીજું રાખો, સાધનો કરો. પણ એને મારવું એ ગુનો છે.

પ્રશ્નકર્તા : બચાવ કરવો, મારવું નહીં.

દાદાશ્રી : હા, બચાવ કરવો.

પ્રશ્નકર્તા : પણ મચ્છરને મારીએ અને ‘શ્રીરામ’ કહીએ તો એની ગતિ ઊંચી જાય ?

દાદાશ્રી : પણ તે આપણી અધોગતિ કરે. કારણ કે એ ત્રાસ પામે છે.

પ્રશ્નકર્તા : સંતોને મચ્છર કરડે કે નહીં ?

દાદાશ્રી : ભગવાનને કૈડ્યા હતા ને ! મહાવીર ભગવાનને તો બહુ કૈડ્યા હતા. હિસાબ ચૂકવ્યા વગર રહે નહી ને !

આપણા જ હિસાબો

એટલે એક મચ્છરું અડે છે એ ગપ્પું નથી. તો બીજી કઈ વસ્તુ ગપ્પામાં ચાલે ?! અને પાછું અહીં આગળ પગે એને અડવું હોય તોય ના અડાય, અહીં હાથે જ અડે ત્યારે જ મેળ પડે, આ જગ્યા જ ! આટલું બધું ગોઠવણીવાળું આ જગત છે. એટલે આ જગત કંઈ ગપ્પું છે ? બિલકુલ ‘રેગ્યુલેટર ઓફ ધી વર્લ્ડ’ છે અને વર્લ્ડને નિરંતર ‘રેગ્યુલેશન’માં જ રાખે છે અને આ બધું હું જાતે જોઈને કહું છું.

ન કરાય કયાંય, હીટલરીઝમ

વર્લ્ડમાં કોઈ તમને ડખોડખલ કરી શકે એવી સ્થિતિમાં જ નથી. માટે વર્લ્ડનો દોષ કાઢશો નહીં, તમારો જ દોષ છે. તમે જેટલી ડખલ કરી છે તેનાં જ આ પડઘા છે. તમે ડખલ ના કરી હોય, તેનો પડઘો કોઈ તમને વાગે નહીં.

એટલે એક મચ્છર પણ તમને અડી ના શકે, જો તમે ડખલ ના કરો

(પા.૧૦)

તો. આ પથારીમાં નર્યા માકણ છે ને ત્યાં તમને સુવાડે અને જો તમે ડખલ વગરના હો તો એકુંય માકણ તમને અડે નહીં. શું કાયદો હશે આની પાછળ ? આ તો માકણ માટે લોકો વિચાર કરવાના ને, કે ‘એય, વીણી નાખો, આમ કરો, તેમ કરો ?’ એવી ડખલ કરે છે ને, બધા ? અને દવા ફેંકે ખરા ? હિટલરીઝમ જેવું કરે ? કરે ખરાં એવું ? તોય માકણ કહે છે, ‘અમારી વંશ નાશ નહીં થવાની. અમારી વંશ વધતી જવાની.’

એટલે જો તમારી ડખોડખલ બંધ થઈ જશે તો બધું સાફ થઈ જશે. ડખલ ના હોય તો કશું કૈડે એવું નથી આ જગતમાં. નહીં તો આ ડખોડખલ કોઈને છોડે નહીં.

હંમેશાંય હિસાબ ચૂકતે થયો ક્યારે કહેવાય ? મચ્છરોની વચ્ચે બેઠો હોય તોય મચ્છર ના અડે ત્યારે ચૂકતે થયું કહેવાય. મચ્છર એનો સ્વભાવ ભૂલી જાય. માકણ એનો સ્વભાવ ભૂલી જાય. અહીં આગળ કોઈ માર માર કરતો આવ્યો હોય ને, પણ મને દેખે તો એ મારવાનું ભૂલી જાય. એના વિચારો જ બધા ફરી જાય, એને અસર થાય, અહિંસાની એટલી બધી ઈફેક્ટ થાય.

મચ્છરને ખબર નથી કે હું ચંદુભાઈ પાસે જાઉં છું કે ચંદુભાઈને ખબર નથી કે આ મચ્છર મારી પાસે આવે છે. આ ‘વ્યવસ્થિત’ સંયોગકાળ બધું એવું કરી આપે છે કે બન્નેને ભેગાં કરી આપીને બેઉનો ભાવ ચૂકવી અને છૂટા પડી જાય પછી. એટલું બધું આ ‘વ્યવસ્થિત’ છે ! એટલે મચ્છર હવામાં ખેંચાતું ખેંચાતું અહીં લાવે અને પાછો ચટકો મારીને હવામાં ખેંચાઈ જાય. પછી ક્યાંય એ માઈલ દૂર ગયું હોય ! જે વાંકો થાય તેને ફળ આપે પાછું.

નથી કોઈ ફેર, કાંટા ને મચ્છરમાં

આ મચ્છર કૈડે ત્યારે લોકોને મચ્છરનો દોષ દેખાય છે ને પેલો કાંટો કૈડે ત્યારે શું કરે છે ? આવડો મોટો કાંટો પેસી જાય તો ? તે કાંટામાં ને મચ્છરમાં ફેર નથી જરાયે, ભગવાને ફેર જોયો નથી. જે કૈડે છે ને, એ આત્મા ન હોય. એ કાંટા જ છે બધા. એ કાંટાનો દોષ નથી દેખાતો ને ! એનું શું કારણ ?

(પા.૧૧)

પ્રશ્નકર્તા : જીવતું કોઈ નિમિત્ત દેખાતું નથીને ત્યાં !

દાદાશ્રી : અને પેલું જીવતું દેખાય છેને, એટલે એ જાણે કે આ જ મને કૈડ્યું. ‘પોતે’ ભ્રાંતિવાળો, તે જગત એને ભ્રાંતિવાળું જ દેખાયા કરે. આત્મા કોઈને કૈડે જ નહીં. આ બધું અનાત્મા થઈને દંડ દઈ રહ્યું છે જગતને. પરમાત્મા દંડ ના દે. આત્મા યે દંડ ના દે, આ તો બાવળિયાની શૂળો જ બધાંને વાગ વાગ કરે છે.

ડુંગર ઉપરથી આવડો મોટો પથરો પડે માથા ઉપર તો ઉપર જોઈ લે કે કોઈએ ગબડાવ્યો કે નથી ગબડાવ્યો ? પછી કોઈ ના દેખાય એટલે ચૂપ ! અને કોઈકે આપણી ઉપર કાંકરી મારી હોય ત્યાં હલદીઘાટની લડાઈ જમાવે. કારણ શું છે ? કે ભ્રાંતદ્રષ્ટિ છે.

આ ‘અક્રમ વિજ્ઞાન’ શું કહે છે ? કે પેલો કાંટોય નિમિત્ત છે ને ભાઈયે નિમિત્ત છે, દોષ તમારો જ છે. આ ફૂલને કચડે તો તેનું ફળ ના આવે ને કાંટાને કચડે તો ફળ આવે, તેવું આ મનુષ્યમાંય છે. માટે જાળવીને ચાલો. કાંટો વાગવો અગર તો વીંછીનું કૈડવું બેઉ કર્મફળ છે. આ ફળ આવ્યું, પણ કોનું ફળ ? મારું પોતાનું. ત્યારે કહે, ‘એમને શું લેવાદેવા ?’ એ તો બિચારાં નિમિત્ત છે. જમાડનારાં કોણ હોય ને પીરસનારાં કોણ હોય ?

માટે ચેતીને ચાલજો. આ જગત બહુ જુદી જાતનું છે. તદ્દન ન્યાય સ્વરૂપ છે. મેં આખી જિંદગીથી હિસાબ કાઢ્યો છેને, તે હિસાબ કાઢતાં કાઢતાં એવો સરસ હિસાબ કાઢ્યો છે, ને જગતને હું આપીશ એક દહાડો એ હિસાબ ! ત્યારે જગતને ઠંડક વળશે. નહીં તો ઠંડક ના વળે. અનુભવમાં તો લેવું પડે ને ! અનુભવના સ્ટેજ ઉપર લઈએ ત્યારે જ કામ થાય ને ! કે ‘આનું શું પરિણામ આવશે’ એવું રિસર્ચ તો કરવું પડેને !

કોઈનો જીવવાનો રાઈટ, તોડાય ?

આ મેં તપાસ હઉ કરેલી પાછી. શું અક્કલવાળાએ આબરૂ મેળવી ! ઉંદર એ બિલાડીનો ખોરાક છે. ખાવા દોને એને ! અને આ છછુંદર જતું હોય ને, તો બિલાડી એને ના અડે. બિલાડી જો ભૂખી જ હોય ને ઉંદર, જીવડાં,

(પા.૧૨)

જીવોને ખાઈ જતી હોય ત્યારે છછુંદરને કેમ નથી ખાતી ? પણ એ છછુંદરને ના અડે. આનાં પર વિચાર કરજો.

આ કંઈક પુણ્યૈ કરેલી તેથી બેઠાં બેઠાં ખાવાનું મળ્યું. અને આ મજૂરોને તો મહેનત કરે ત્યાર પછી પૈસા લાવે ત્યારે ખાવાનું મળે. માટે આપણે હવે કોઈને દુઃખ ના થાય, જાનવરને - નાના જીવડાંને દુઃખ ના થાય એવી રીતે વર્તન રાખવું. આમ તો લોકો ભગવાનનું નામ દે છે અને જેમાં ભગવાન રહ્યાં છે એને માર માર કરે છે. સાપ નીકળ્યા હોય તો મારી નાખે, માકણનેય મારી નાખે. એવાં શૂરવીર (!) લોકો ! એવું લોકો મારે ખરાં ? ભારે શૂરવીર કહેવાય ને ?! એટલે લોકો મારવામાં શૂરા પાછાં ! અને આ સર્જન કોનું, તે વિસર્જનમાં પોતે તૈયાર થઈ જાય છે ?! તમે સર્જન કરી શકો તો એને વિસર્જન કરી શકો. કંઈ ન્યાય હોય કે ના હોય ?

એવું છેને, આ તો રિલેટિવ વ્યુપોઈન્ટથી માકણ છે ને રિયલ વ્યુપોઈન્ટથી શુદ્ધાત્મા છે. તમારે શુદ્ધાત્માને મારવો છે ? ના ફાવે તો બહાર જઈને નાખી આવજો ને ! હવે બધાંને મારીને માણસ સુખ ખોળે છે આમાં. મચ્છરાં મારવા, માકણ મારવા, જે આવ્યું હોય તેને મારવું અને સુખ ખોળવું, એ બે શી રીતે સાથે બને ?

પ્રશ્નકર્તા : ઘરમાં કીડીઓ ખૂબ ઉભરાય તો શું કરવું ?

દાદાશ્રી : જે રૂમમાં કીડીઓ નીકળી હોય તે રૂમ બંધ રાખવો. આને ઉપદ્રવ કહેવામાં આવે છે. કુદરતનો નિયમ એવો છે કે અમુક દિવસ એનો ઉપદ્રવ ચાલ્યા કરે. પછી એનો ટાઈમ પૂરો થઈ જાય એટલે ઉપદ્રવ બંધ થઈ જાય, એની મેળે કુદરતી જ ! એટલે આપણે રૂમ બંધ રાખવો, આ બધું તમે તપાસ કરશો તોય જડશે. આ પરમેનન્ટ ઉપદ્રવ છે કે ટેમ્પરરી ?

પ્રશ્નકર્તા : મોટાભાગે કીડીઓ બધી રસોડામાં જ આવતી હોય છે, તો રસોડું કેમ બંધ રાખવું ?

દાદાશ્રી : એ તો બધા વિકલ્પ છે. આપણે આ સમજી લેવાનું. ઉપદ્રવ હોય ત્યાંથી ખસી જવાનું, બે રસોડા રાખો. એક સ્ટવ જુદો રાખો. તે દિવસે

(પા.૧૩)

કંઈ બાફીને ખાઈ લેવું. મારીને જોખમદારી બહુ જબરજસ્ત છે.

પ્રશ્નકર્તા : રોજીંદા વહેવારના અવરોધમાં આવે છે, એને જ મારી નાખીએ છીએ ને બીજા બધાને તો મારવા જતા નથી.

દાદાશ્રી : જેને જીવડાં મારવા છે એને એવા સંયોગ મળી આવે અને જેને નથી મારવા એને એવા સંયોગ મળી આવે.

થોડો વખત ‘નથી મારવા’ એવો પ્રયત્ન કરશો તો સંયોગો બદલાશે. દુનિયાના નિયમો જો સમજો તો ઉકેલ છે. નહીં તો પછી મારવાનો રિવાજ છૂટતો નથી. તો પછી સંસારનો રિવાજ તૂટશે નહીં. ભૂલેચૂકે મરી જાય એનું પ્રતિક્રમણ કરી લેવું કે માફી માગું છું.

પ્રશ્નકર્તા : આપણે પણ આ રોજીંદા જીવનમાં આ બધી દવાઓ છાંટી બધા જીવજંતુઓ મારીએ છીએ, તો એની ઈફેક્ટ આપણા પર થાય છે ?

દાદાશ્રી : મારો છો તે ઘડીએ અંદર તરત જ મહીં પરમાણુ બદલાઈ જાય છે અને તમારી મહીં યે મરી જાય છે. જેટલું તમે બહાર મારશો એટલું મહીં મરશે. જેટલું બહાર જગત છે એટલું અંદર જગત છે. એટલે તમારે જેટલું મારવું હોય એટલું મારજો, તમારી મહીં યે મરતા રહેશે. જેટલું આ બ્રહ્માંડમાં છે એટલું પિંડમાં છે.

એટલા બધા ચોર હોય છે કે આપણે એમાંથી બચીએ જ નહીં. આપણે કોઈ દહાડો કોઈનું ગજવું કાપવાનો, ચોરી કરવાનો વિચાર નથી કરતાં, તે આપણું એ કાપતા નથી. એટલે તમે હિંસકને બદલે અહિંસક રહેશો, તો હિંસાના સંજોગ જ તમને ભેગા નહીં થાય એવું આ જગત છે. જગત એક વખત સમજી લ્યો તો ઉકેલ આવે.

સહી કરે તેનો ગુનો

પ્રશ્નકર્તા : આ ચોમાસામાં ગામમાં માખીઓ વધારે થાય, મચ્છરો વધારે હોય, તો મ્યુનિસિપાલિટીવાળા કે આપણે ઘરમાં બધે ‘ફ્લીટ’ છાંટીએ, તો એ પાપ જ કહેવાય ને ? પણ એ જો ન કરે તો રોગચાળો ભયંકર ફાટી નીકળે.

(પા.૧૪)

દાદાશ્રી : એવું છે ને, આ તારામાં ને આ પેલા સરમુખ્યતારે બોમ્બગોળા નાખ્યા એમાં ફેર શો ? તું એમાંનો નાનો સરમુખ્યતાર થયો !

પ્રશ્નકર્તા : પણ આ તો ગામની વાત થઈને ! આ ચોમાસુ છે, તો ચોમાસામાં બધે ગંદકી તો હોય જ. તો મચ્છરો-માખીઓ બધું થાય. તો મ્યુનિસિપાલિટી શું કરે કે બધે ઠેકાણે દવા છાંટે.

દાદાશ્રી : મ્યુનિસિપાલીટી કરે, એમાં આપણને શું લેવાદેવા ? આપણા મનમાં એવો ભાવ ના હોવો જોઈએ. આપણા મનમાં એમ હોવું જોઈએ કે આવું ના હોય તો સારું.

પ્રશ્નકર્તા : તો મ્યુનિસિપાલિટીનાં જે કામ કરનારા માણસો છે, જે સત્તા ઉપર હોય, એમને દોષ લાગે ?

દાદાશ્રી : ના. એમનેય લાગે-વળગે નહીં.

પ્રશ્નકર્તા : તો કોને લાગે ?

દાદાશ્રી : એ તો ફક્ત કરનારા જ છે. એને કોણ કરાવડાવે છે ? એમનાં ઓફિસરો ને એ બધા.

પ્રશ્નકર્તા : તો ઓફિસરો કોના માટે કરે છે ?

દાદાશ્રી : એમની ફરજો ! પણ આપણા માટે નથી.

પ્રશ્નકર્તા : પણ આપણે તો કમ્પ્લેઈન કરી, કાગળ લખીને નોટિસ આપી.

દાદાશ્રી : પણ જેને ના કહેવું હોય તે ના કહે. જેને ના કરવું હોય એ કહેશે, ‘ભાઈ, મારે આ જોઈતું નથી. મને આ ગમતું નથી.’ તો પછી ? તો પોતાની જવાબદારી નહીં. અને જેને ગમે છે એની જવાબદારી.

પ્રશ્નકર્તા : એટલે દરેકના પોતાના ભાવ ઉપર રહ્યું ?

દાદાશ્રી : હા, પોતાનો ભાવ શેમાં છે, એટલી એની જોખમદારી !

(પા.૧૫)

પ્રશ્નકર્તા : આ પાણીની ટાંકી હોય, એમાં ઉંદર મરી ગયો કે કબૂતર મરી ગયું, તો એ બધું સાફસૂફી કરવી પડે. સાફસૂફી કરાવ્યા પછી એમાં દવા છાંટવી પડે અગર તો મ્યુનિસિપાલિટીવાળાને બોલાવીને દવા છંટાવીએ. એટલે બધાં જ જીવ-જંતુઓ તો નાશ થાય ને ? તો એ પાપ તો થયું ને ? એ બંધ કોને પડે ? કરનારને કે કરાવનારને ?

દાદાશ્રી : કરનાર ને કરાવનાર બન્નેને જાય. પણ આપણા ભાવમાં ના હોવું જોઈએ. આપણો આવો અભિપ્રાય ન હોવો જોઈએ.

પ્રશ્નકર્તા : ગંદકી મટાડવાનો ભાવ છે. કારણ કે ગંદકી ના મટે તો બધા મનુષ્યો પાણી પીશે તો એમને નુકસાન થશે.

દાદાશ્રી : હા, પણ એ તો દોષ બેસવાના જ ને ! એવું છે ને, એવા દોષ ગણવા જાય ને, તો આ જગતમાં નિરંતર દોષ જ થયા કરે છે.

એટલે તમારે કોઈની ચિંતા નહીં કરવાની. તમે તમારું સંભાળો. સબ સબકી સમાલો. દરેક જીવમાત્ર પોતપોતાનું મરણ ને એ બધું લઈને આવેલા છે. તેથી તો ભગવાને કહ્યું કે કોઈ કોઈને મારી શકતો નથી. પણ આ ઓપન ના કરશો, નહીં તો લોક દુરુપયોગ કરશે.

અને ઘરમાં દસ માણસ હોય અને ટાંકી બગડી છે, એને કોણ સાફ કરવા નીકળે ? જેનામાં અહંકાર હોય તે નીકળે, કે ‘હું કરી નાખીશ. એ તમારું કામ નહીં.’ એટલે બધું અહંકારીને દોષ જાય.

પ્રશ્નકર્તા : પણ એ એના કરુણાના ભાવે કરે છે.

દાદાશ્રી : કરુણા હોય કે ગમે તે. અને આ પાપેય બાંધશે.

પ્રશ્નકર્તા : તો શું કરવું ? એ ગમે તેવું ગંદુ પાણી પી લેવાનું ?

દાદાશ્રી : આમાં ચાલે એવું જ નથી. એ અહંકાર કર્યા વગર રહે જ નહીં. અને એવું કશું નહીં, તમારે તો અસલ ચોખ્ખું જ પાણી મળ્યા કરવાનું. કોઈ અહંકારી તમને ચોખ્ખું જ કરી આપશે. હા, આ દુનિયામાં હરેક ચીજ છે. કોઈ ચીજ એવી નથી કે જે ના મળે. પણ તમારું પુણ્ય અટક્યું છે ફક્ત.

(પા.૧૬)

તમારો જેટલો અહંકાર એટલો અંતરાય. અહંકાર નિર્મૂળ થયો કે બધી વસ્તુ તમારે ઘેર ! આ જગતની કોઈ ચીજ તમારે ઘેર ના હોય એવું નહીં રહે ! અહંકાર જ અંતરાય છે.

ભણતરમાં હિંસા ?

પ્રશ્નકર્તા : આ એગ્રીકલ્ચર કોલેજમાં ભણે છે, સ્ટુડન્ટ છે અહીંયા. તો કહે, અમારે અહીંયા પતંગિયા ભણવા માટે પકડવા પડે છે અને એને મારવા પડે, તો એમાં પાપ બંધાય ખરું ? પકડીએ નહીં તો અમને માર્કસ ના મળે પરીક્ષામાં, તો અમારે શું કરવું ?

દાદાશ્રી : તો ભગવાનને રોજ પ્રાર્થના કરો એક કલાક કે ભગવાન આ મારે ભાગે આવું ક્યાંથી આવ્યું, લોકોને બધાને કંઈ આવું હોય છે ?! તારે ભાગે આવ્યું તો ભગવાનને પ્રાર્થના કરવાની કે ‘હે ભગવાન ક્ષમા માગું છું. હવે આવું ન આવે એવું કરજો’.

પ્રશ્નકર્તા : એટલે, આમાં જે પ્રેરણા દેનાર માસ્તર હોયને, તે અમને એવા પ્રેરે કે તમે આ પતંગિયા પકડો ને આ રીતના આલ્બમ બનાવો, તો એમને કંઈ પાપ નહીં.

દાદાશ્રી : એનો ભાગ પડે, પ્રેરણા આપે તેને સાઈઠ ટકા અને કરનારને ચાલીસ ટકા !

પ્રશ્નકર્તા : આ કોઈ પણ વસ્તુ જે થઈ રહેલી છે એ વ્યવસ્થિતના નિયમ પ્રમાણે એ બરાબર ન ગણાય ? એ નિમિત્ત થયા ને એમને કરવાનું આવ્યું. તો પછી એમને ભાગે પાપ કેમ રહે ?

દાદાશ્રી : પાપ તો એટલા જ માટે થાય છે કે આવું કામ આપણે ભાગ ના હોવું જોઈએ છતાં આપણે ભાગે આવું આવ્યું ? બકરા કાપવાનું ભાગે આવે તો સારું લાગે ?

પ્રશ્નકર્તા : સારું તો ના લાગે. પણ દાદા, કરવું જ પડે એવું હોય તો ? ફરજિયાત કરવું જ પડે, છૂટકો જ ના હોય તો શું ?

(પા.૧૭)

દાદાશ્રી : કરવું પડે તો.... પસ્તાવાપૂર્વક કરવું પડે તો જ કામનું છે. એક કલાક પસ્તાવો કરવો પડે રોજ, એક ફુદું બનાવી આપ જોઈએ ? ફોરેનના સાયન્ટિસ્ટ એ બનાવી આપશે એક ફુદું ?

પ્રશ્નકર્તા : ના, એ તો શક્ય જ નહીં ને, દાદા !

દાદાશ્રી : તો પછી બનાવી ના શકીએ તો પછી મારી શી રીતે શકીએ ?

એ લોકોએ બધાએ પ્રાર્થના કરવી જોઈએ ભગવાનને, કે અમારે ભાગે આ ક્યાંથી આવ્યો, ખેતીવાડીનો ધંધો ક્યાંથી આવ્યો.... ખેતીવાડીમાં તો નરી હિંસા જ છે પણ આવી નહીં, આ તો ઉઘાડી હિંસા.

પ્રશ્નકર્તા : બહુ સરસ નમૂનો લઈ આવે મારીને, તો પાછાં ખુશ થાય કે હું કેવો મારી લાવ્યો, કેવો સરસ નમૂનો મળ્યો. તેના વધુ માર્ક મળે. કેવું સરસ મેં પકડ્યું !

દાદાશ્રી : ખુશ થાયને ! ત્યાં આગળ એટલું જ કર્મ લાગશે, એનું ફળ આવશે પાછું, જેટલા ખુશ થયા એટલું જ કડવાટ ભોગવવી પડશે.

નોખાં હિસાબો પાપનાં

પ્રશ્નકર્તા : એક માણસે ઘાસ તોડ્યું, બીજા માણસે ઝાડ કાપ્યું, ત્રીજા માણસે મચ્છર માર્યું, ચોથા માણસે હાથી માર્યો, પાંચમા માણસે મનુષ્યને માર્યો. હવે એ બધામાં જીવ હત્યા તો થઈ જ પણ એનું પાપનું ફળ જુદું જુદું ને ?

દાદાશ્રી : જુદું જુદું. એવું છેને, તણખલાની કંઈ કિંમત જ નથી.

પ્રશ્નકર્તા : પણ એમાં આત્મા તો ખરો ને ?

દાદાશ્રી : એ ખરો. પણ એ પોતે જે ભોગવે છેને, તે બેભાનપણામાં ભોગવે છેને !

પ્રશ્નકર્તા : એટલે સામાના ભોગવટા ઉપર પાપ છે ?

દાદાશ્રી : સામાને ભોગવટો કેટલો છે, એનાં ઉપર આપણને પાપ લાગે.

(પા.૧૮)

પ્રશ્નકર્તા : બંગલાની આસપાસ પોતે પોતાનું ગાર્ડન બનાવે છે.

દાદાશ્રી : તેનો વાંધો નહીં. એટલો ટાઈમ આપણો નકામો જાય, એટલા માટે ના પાડી છે. એ જીવો માટે ના નથી પાડી.

પ્રશ્નકર્તા : પણ આપણે નિમિત્ત બન્યા કહેવાઈએ.

દાદાશ્રી : નિમિત્તનો વાંધો નહીં. જગત નિમિત્તરૂપ જ છે. એ એકેન્દ્રિય જીવોને કંઈ દુઃખ નથી દેતા આપણે. એ બધું ચાલ્યા જ કરે. એકેન્દ્રિય જીવો કે જેની ચિંતા કરવાની નથી, તેની મૂંઝવણ ઘાલી દીધી. પણ જાણી-જોઈને રસ્તે જતાં ઝાડનાં પાંદડા કામ ના હોય તો તોડશો નહીં, અનર્થકારી ક્રિયાઓ ના કરશો. અને દાતણની જરૂર હોય તો તમારે ઝાડને કહેવું કે, ‘મને એક ટુકડો જોઈએ છે.’ એવું માગી લેવું.

પ્રશ્નકર્તા : એક માણસ ફૂટપાથ ઉપર ચાલતો હોય, બીજો માણસ ઘાસ ઉપર ચાલતો હોય. ફેર તો ખરો જ ને ?

દાદાશ્રી : ખરું પણ એમાં બહુ લાંબો ફેર નથી. આ તો લોકોએ ઉલટું ઘાલ ઘાલ કર્યું છે. મોટી વાત રહી ગઈ ને નાની વાતો ઘાલી. લોકોની જોડે ચિઢાવું એ મોટી હિંસા કહી છે. સામાને દુઃખ થાય ને !

નિયમ, ખેતીમાં પુણ્ય-પાપનો

પ્રશ્નકર્તા : આ ખેડૂત ખેતી કરે છે એમાં પાપ છે ?

દાદાશ્રી : બધે પાપ છે. ખેડૂત ખેતી કરે એમાંય પાપ છે અને આ અનાજના દાણાનો ધંધો કરે એ બધાય પાપ છે. દાણામાં જીવડાં પડે કે ના પડે ? અને લોક જીવડાં સાથે બાજરો વેચે છે. અરે, જીવડાંનાય પૈસા લીધા ને તે ખાધા !

પ્રશ્નકર્તા : પણ ખેતી કરનારને એક છોડને ઉછેરવો પડે છે અને બીજા છોડને ઉખેડવો પડે છે. તોય એમાં પાપનો ભાર ખરો કંઈ ?

દાદાશ્રી : ખરો ને !

(પા.૧૯)

પ્રશ્નકર્તા : તો ખેડૂત ખેતી કેવી રીતે કરે ?

દાદાશ્રી : એ તો એવું છે ને, એક કાર્ય કરો તેમાં પુણ્ય ને પાપ બંનેય સમાયેલું હોય. આ ખેડૂત ખેતી કરે, તે બીજા છોડવાને ઉખેડી નાખે ને પેલા કામના છોડવાને રાખે, એટલે એને ઉછેરે છે. જેને ઉછેરે છે, એમાં એને બહુ પુણ્ય બંધાય અને જેને કાઢી નાખે છે, એનું એને પાપ બંધાય છે. આ પાપ પચ્ચીસ ટકા બંધાય ને પુણ્ય એને પંચોત્તર ટકા બંધાય પછી પચાસ ટકાનો ફાયદો થયો ને !

પ્રશ્નકર્તા : તો એ પાપ અને પુણ્ય ‘પ્લસ-માઈનસ’ થઈ જાય ?

દાદાશ્રી : ના. એ ‘પ્લસ-માઈનસ’ કરવામાં નથી આવતું. ચોપડે તો બેઉ લખાય. ‘પ્લસ-માઈનસ’ થઈ જતું હોય ને, તો તો કોઈને ત્યાં જરાય દુઃખ ના હોય. તો તો કોઈ મોક્ષે જ ના જાત. એ તો કહેત, ‘અહીં સારું છે, કાંઈ દુઃખ નથી.’ લોકો તો બહુ પાકાં હોય. પણ એવું કશું બને નહીં.

અને જગત આખું તો પાપમાં જ છે ને પુણ્યમાંય છે. પાપની જોડે જોડે પુણ્યૈ પણ થાય છે. પણ ભગવાને શું કહ્યું કે લાભાલાભનો વેપાર કરો.

સ્પેશ્યલ પ્રતિક્રમણ, ખેડૂતો માટે

પ્રશ્નકર્તા : આપની ચોપડીમાં વાંચ્યું કે ‘મન-વચન-કાયાથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના હો’ એવું વાંચ્યું, પણ એક બાજુ અમે ખેડૂત રહ્યા, તે તમાકુનો પાક પકવીએ ત્યારે અમારે ઉપરથી દરેક છોડની કૂંપણ, એટલે એની ડોક તોડી જ નાખવી પડે. તો આનાથી એને દુઃખ તો થયું ને ? એનું પાપ તો થાય જ ને ? આવું લાખો છોડવાઓનું ડોકું કચડી નાખીએ છીએ. તો આ પાપનું નિવારણ કેવી રીતના કરવું ?

દાદાશ્રી : એ તો મહીં મનમાં એમ થવું જોઈએ કે બળ્યો આ ધંધો કંઈથી ભાગે આવ્યો ? બસ એટલું જ. છોડવાની કૂંપણ કાઢી નાખવાની. પણ મનમાં આ ધંધો ક્યાંથી ભાગમાં આવ્યો, એવો પશ્ચાત્તાપ થવો જોઈએ. આવું ના કરવું જોઈએ એવું મનમાં થવું જોઈએ, બસ.

(પા.૨૦)

પ્રશ્નકર્તા : પણ આ પાપ તો થવાનું જ ને ?

દાદાશ્રી : એ તો છે જ. એ જોવાનું નહીં, એ તમારે જોવાનું નહીં. થયા કરે છે એ પાપ જોવાનું નહીં. આ નહીં થવું જોઈએ એવું તમારે નક્કી કરવાનું, નિશ્ચય કરવો જોઈએ. આ ધંધો ક્યાં મળ્યો ? બીજો સારો મળ્યો હોત તો આપણે આવું કરત નહીં. પેલો પશ્ચાત્તાપ ના થાય. આ ના જાણ્યું હોય ને ત્યાં સુધી પશ્ચાત્તાપ ના થાય. ખુશી થઈને છોડવાને ફેંકી દે. અમારા કહ્યા પ્રમાણે કરજોને, તમારી બધી જવાબદારી અમારી. છોડવો ફેંકી દો તેનો વાંધો નથી, પશ્ચાત્તાપ થવો જોઈએ કે આ ક્યાંથી આવ્યું મારે ભાગે ?

પ્રશ્નકર્તા : સમજ્યો.

દાદાશ્રી : આ ખેડૂત કરતાં વેપારીઓ પાપ વધારે કરે છે અને વેપારીઓ કરતાં આ ઘેર બેસી રહે છે તે બહુ પાપ કરે છે મૂઆ. પાપ તો મનથી થાય છે, શરીરથી પાપ થાય નહીં. તમારે વાત સમજવાની. આ બીજા લોકોને સમજવાની જરૂર નહીં. તમારે તમારા પૂરતી સમજવાની. બીજા લોકો જે સમજે છે એ જ બરોબર છે.

પ્રશ્નકર્તા : કપાસમાં દવા છાંટવી પડે છે તો શું કરવું ? એમાં હિંસા તો થાય જ ને ?

દાદાશ્રી : નાછૂટકે જે જે કાર્ય કરવું પડે, તે પ્રતિક્રમણ કરવાની શરતે કરવું.

તમને આ સંસાર વ્યવહારમાં કેમ ચાલવું તે ના આવડે. એ અમે તમને શીખવાડીએ. એટલે નવાં પાપ બંધાય નહીં.

ખેતરમાં તો ખેતીવાડી કરે એટલે પાપ બંધાય જ. પણ એ બંધાય તેની સાથે અમે તમને દવા આપીએ કે આવું બોલજો. એટલે પાપ ઓછાં થઈ જાય. અમે પાપ ધોવાની દવા આપીએ. દવા ના જોઈએ ? ખેતરમાં ગયા એટલે ખેડો - કરો, એટલે પાપ તો થવાનાં જ. મહીં કેટલાંય જીવો માર્યા જાય. આ શેરડી કાપો તો પાપ કહેવાય નહીં ? એ જીવો જ છે ને બિચારાં ? પણ એનું

(પા.૨૧)

શું કરવાનું એ અમે તમને સમજાવીએ, એટલે તમને દોષ ઓછાં બેસે અને ભૌતિક સુખો સારી રીતે ભોગવો.

ખેતીવાડીમાં જીવજંતુ મરે, તેનો દોષ તો લાગે ને ? એટલે ખેતીવાડીવાળાએ દરરોજ પાંચ-દસ મિનિટ ભગવાન પાસે પ્રાર્થના કરવી કે આ દોષ થયા તેની માફી માગું છું. ખેડૂત હોય તેને કહીએ કે તું આ ધંધો કરું છું, તેનાં જીવો મરે છે. તેનું આ રીતે પ્રતિક્રમણ કરજે. તું જે ખોટું કરું છું, તેનો મને વાંધો નથી. પણ તેનું તું આ રીતે પ્રતિક્રમણ કર.

સ્વરૂપજ્ઞાનીને પુણ્ય-પાપ અડે નહીં

પ્રશ્નકર્તા : જંતુનાશક દવા આપણે બનાવીએ અને પછી એ ખેતરમાં છાંટીએ, એમાં કેટલાંય જીવો મરી જાય છે. તો પછી એમાં પાપ લાગે કે ના લાગે ? પછી એ દવા બનાવવી એ પાપ કહેવાય કે નહીં ?

દાદાશ્રી : હા. કારણ કે એ દવા જીવો મારવાના ઉદ્દેશથી જ બને છે. દવા લાવે છે તેય જીવો મારવાના ઉદ્દેશથી જ લાવે છે અને દવા નાખે છે તે જીવો મારવાના ઉદ્દેશથી જ નાખે છે. એટલે બધું પાપ જ છે.

પ્રશ્નકર્તા : પણ એમાં હેતુ એવો છે કે પાક વધારે સારા થાય, વધારે પાકે.

દાદાશ્રી : એવું છે, આ પાક શેના આધારે થાય છે, ખેડૂત શેના આધારે ખેડે છે, શેના આધારે વાવે છે, એ બધું શેના આધારે ચાલે છે એ હું જાણું છું. આ બધું નહીં જાણવાથી લોકોના મનમાં એમ થાય છે કે ‘આ તો મારા આધારે ચાલતું હતું. આ તો મેં દવા છાંટી તેથી બચ્યું.’ હવે આ આધાર આપવો એ જ ભયંકર પાપ છે. અને નિરાધાર થયું કે એ બધું પડી જાય.

પ્રશ્નકર્તા : તો પછી પુરુષાર્થ ક્યાં ગયો ?

દાદાશ્રી : પુરુષાર્થ તો, શું બને છે એને જોવું-જાણવું એ જ પુરુષાર્થ છે, બીજું કંઈ નહીં. બીજું, મનના વિચારો આવે છે એ ‘ફાઈલ’ છે. એને તો તમારે જોવાના છે. બીજા ડખામાં ઉતરવાનું નહીં.

(પા.૨૨)

પ્રશ્નકર્તા : તો પછી આ ખેતી કરવી કે ના કરવી ?

દાદાશ્રી : ખેતીનો વાંધો નહીં.

પ્રશ્નકર્તા : પણ પેલો પાપનો ભાર વધે તેનું શું ?

દાદાશ્રી : એવું છે, આ જ્ઞાન પછી તમને તો પાપ હવે અડે નહીં ને ! તમે ‘પોતે’ હવે ‘ચંદુભાઈ’ નથી રહ્યા. તમે ‘ચંદુભાઈ’ હો ત્યાં સુધી પાપ અડે. ‘હું ચંદુભાઈ છું’ એવું નક્કી છે તમને ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો પછી પાપ ક્યાંથી અડે ? આ ચાર્જ જ નહીં થાય ને ! જે ખેતી આવી હોય તેટલાનો નિકાલ કરવાનો. એ ‘ફાઈલ’ છે. આવી પડી તે ‘ફાઈલ’નો સમભાવે નિકાલ કરવાનો.

પણ જો મારા કહ્યા પ્રમાણે ‘હું શુદ્ધાત્મા છું’ ક્યારેય પણ ચૂકે નહીં, તો ગમે એટલી દવા નાખશે તોય એને અડશે નહીં. કારણ કે ‘પોતે’ ‘શુદ્ધાત્મા’ છે. અને દવા નાખનારો કોણ ? ‘ચંદુભાઈ’ છે. અને તમને જો દયા આવતી હોય તો ‘તમે’ ‘ચંદુભાઈ’ થઈ જાવ.

પ્રશ્નકર્તા : એ દવા બનાવવાથી, વેચવાથી, ખરીદવાથી, નાખવાથી એને કર્મનો બંધ લાગે કે નહીં ?

દાદાશ્રી : હા, પણ એ તો દવાઓના કારખાના જેમણે કરેલાં છે એ બધા મને પૂછે કે, ‘દાદા, હવે અમારું શું થશે ?’ મેં કહ્યું, ‘મારા કહ્યા પ્રમાણે રહેશો તો તમને કશું થનાર નથી.’

પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એવો થયો કે શુદ્ધાત્મા ભાવથી હિંસા કરી શકાય ને ?

દાદાશ્રી : હિંસા કરવાની વાત જ નથી. શુદ્ધાત્મા ભાવમાં હિંસા હોય જ નહીં. કરવાનું કશું જ ના હોય ને !

પ્રશ્નકર્તા : તો પછી આચારસંહિતાની દ્રષ્ટિએ દોષ ના કહેવાય ?

(પા.૨૩)

દાદાશ્રી : આચારસંહિતાની દ્રષ્ટિએ દોષ ના કહેવાય. આચાર- સંહિતા ક્યારે હોય ? કે તમે ચંદુભાઈ છો ત્યાં સુધી આચારસંહિતા. તો એ દ્રષ્ટિએ દોષ જ કહેવાય. પણ આ ‘જ્ઞાન’ પછી હવે તમે તો ચંદુભાઈ નથી, શુદ્ધાત્મા થઈ ગયા અને તે તમને નિરંતર ખ્યાલમાં રહે છે. ‘હું શુદ્ધાત્મા છું’ એવો નિરંતર આપણને ખ્યાલ રહેવો એ શુક્લધ્યાન છે. ‘હું ચંદુભાઈ છું’ એ અહંકારી ધ્યાન છે.

આપણા મહાત્માઓ આટલાં છે, પણ કોઈએ દુરુપયોગ કર્યો નથી. આમ મને પૂછે ખરાં, અને પાછાં કહે છે કે, ‘અમે ધંધો બંધ કરી દઈએ ?’ મેં કહ્યું, ‘ના. ધંધો બંધ થાય તો બંધ થવા દેજો ને બંધ ન થાય તો ચાલવા દેજો.’

હિંસક વેપાર

પ્રશ્નકર્તા : આ જે ધંધો પહેલાં કરતા’તા, જંતુનાશક દવાઓનો ધંધો, તે વખતે એમને વાત નહોતી બેસતી મગજમાં કે આ કર્મના હિસાબે જે ધંધો આવ્યો છે એમાં શું વાંધો છે ? કોઈને માંસ વેચવાનું હોય તો એમાં એનો શું વાંક ? એના તો કર્મના હિસાબમાં જે હતું એ જ આવ્યું ને ?

દાદાશ્રી : એવું છે ને, પછી અંદર શંકા ના પડી હોય તો ચાલ્યા કરત. પણ આ શંકા પડી, એ એમની પુણ્યૈને લઈને. જબરજસ્ત પુણ્યૈ કહેવાય. નહીં તો આ જડતા આવત. ત્યાં કંઈ જીવો મર્યા તે ઘટ્યા નહીં, તમારા જ જીવો મહીં મરી જાય ને જડતાં આવે. જાગૃતિ બંધ થઈ જાય, ડલ થઈ જાય.

પ્રશ્નકર્તા : હજુએ જૂના મિત્રો મને મળે છે બધા, તો બધાને એમ કહું છું કે એમાંથી નીકળી જાવ અને એમને પચાસ દાખલાઓ બતાવ્યા કે જો આટલો ઊંચે ચઢેલો નીચે પડી ગયો. પણ પછી બધાને નહીં બેસતું હોય મગજમાં ! પછી ઠોકર ખાઈને બધા જ પાછા નીકળી ગયા.

દાદાશ્રી : એટલે કેટલું પાપ હોય, ત્યારે હિંસાવાળો ધંધો હાથમાં આવે. એવું છે ને, આ હિંસક ધંધામાંથી છૂટી જાય તો ઉત્તમ કહેવાય. બીજા ઘણા ધંધાઓ હોય છે. હવે એક માણસ મને કહે છે, મારા બધા ધંધા કરતાં આ

(પા.૨૪)

કરિયાણાનો ધંધો બહુ નફાવાળો છે. મેં એમને સમજણ પાડી કે જીવડાં પડે છે ત્યારે શું કરો છો જુવારમાં ને બાજરીમાં બધામાં ? ત્યારે કહે એ તો અમે શું કરીએ ? અમે ચાળી નાખીએ. બધું યે કરીએ. એની પાછળ માવજત કરીએ. પણ એ રહી જાય તેને અમે શું કરીએ ? મેં કહ્યું, ‘રહી જાય તેનો અમને વાંધો નથી, પણ એ જીવડાંના પૈસા તમે લો છો ? તોલમાં ? હા, ભલે, બે તોલા ! નર્યું આ તે કંઈ લાઈફ છે ? એ જીવનો તોલ થાય એકાદ તોલો ! એ તોલના પૈસા લીધા.

ઉત્તમ ધંધો, ઝવેરીનો

એટલે પુણ્યશાળીને ક્યો ધંધો મળી આવે ? જેમાં ઓછામાં ઓછી હિંસા હોય એ ધંધો પુણ્યશાળીને મળી આવે. હવે એવો ધંધો ક્યો ? હીરા-માણેકનો, કે જેમાં કશું ભેળસેળ નહીં. પણ એમાંય જો કે અત્યારે ચોરીઓ જ થઈ ગઈ છે. પણ જેને ભેળસેળ વગર કરવો હોય તો કરી શકે. એમાં જીવડાં મરે નહીં, કશી ઉપાધિ નહીં. અને પછી બીજે નંબરે સોના-ચાંદીનો. અને સૌથી વધારેમાં વધારે હિંસાનો ધંધો ક્યો ? આ કસાઈનો. પછી આ કુંભારનો. પેલા નિભાડા સળગાવે છે ને ! એટલે બધી હિંસા જ છે.

પ્રશ્નકર્તા : ગમે તે હિંસાનું ફળ તો ખરું જ ને ? હિંસાનું ફળ તો ભોગવવાનું જ ને ? કે પછી ભાવહિંસા હોય કે દ્રવ્યહિંસા હોય ?

દાદાશ્રી : તે લોકો ભોગવે જ છે ને ! આખો દહાડો તરફડાટ, તરફડાટ...

જેટલા હિંસક ધંધાવાળા છે ને, એ ધંધાવાળા સુખી ના દેખાય. એમનાં મોઢાં પર તેજ ન આવે કોઈ દહાડોય. જમીનમાલિક હળ ના ફેરવતો હોય, તેને બહુ અડે નહીં. ખેડનારને અડે, એટલે એ સુખી ના હોય. પહેલેથી નિયમ છે આ બધો. એટલે ધીઝ ઈઝ બટ નેચરલ. આ ધંધા મળવા ને એ બધું નેચરલ છે. જો તમે બંધ કરી દો ને, તોય એ બંધ થાય એવું નથી. કારણ કે એમાં કશું ચાલે એવું નથી. નહીં તો આ બધાય લોકોને મનમાં વિચાર આવે કે ‘છોકરો સૈન્યમાં જાય ને એ મરી જાય તો મારી છોકરી રાંડે.’ તો તો આપણા

(પા.૨૫)

દેશમાં એવો માલ પાકે જ નહીં. પણ ના, એ માલ દરેક દેશમાં હોય જ. કુદરતી નિયમ એવો જ છે. એટલે આ બધું કુદરત જ પકવે છે. આમાં કંઈ નવું હોતું નથી. કુદરતનો આની પાછળ હાથ છે. એટલે બહુ એ રાખવાનું નહીં.

સંઘરો એય હિંસા

પ્રશ્નકર્તા : વેપારી નફાખોરી કરે, કોઈ ઉદ્યોગપતિ કે વેપારી મહેનતના પ્રમાણમાં ઓછું વળતર આપે અથવા કોઈ મહેનત વગરની કમાણી થાય, તો એ હિંસાખોરી કહેવાય ?

દાદાશ્રી : એ બધી હિંસાખોરી જ છે.

પ્રશ્નકર્તા : હવે એ ફોગટની કમાણી કરી ને ધર્મકાર્યમાં નાણાં વાપરે, તો તે કઈ જાતની હિંસા કહેવાય ?

દાદાશ્રી : જેટલું ધર્મકાર્યમાં વાપર્યું, જેટલું ત્યાગ કરી ગયો, એટલો ઓછો દોષ બેઠો. જેટલું કમાયો હતો, લાખ રૂપિયા કમાયો હતો, હવે એ એંસી હજારનું દવાખાનું બંધાવ્યું તો એટલા રૂપિયાની એને જવાબદારી ના રહી. વીસ હજારની જ જવાબદારી રહી. એટલે સારું છે, ખોટું નથી.

પ્રશ્નકર્તા : લોકો લક્ષ્મીને સંઘરી રાખે છે તે હિંસા કહેવાય કે નહીં ?

દાદાશ્રી : હિંસા જ કહેવાય. સંઘરવું એ હિંસા છે. બીજા લોકોને કામ લાગે નહીં ને !

પ્રશ્નકર્તા : લક્ઝુરીયસ લાઈફ જીવવા માટે સંહાર કરીને વધારે લક્ષ્મી પ્રાપ્ત કરીએ તો એ શું કહેવાય ?

દાદાશ્રી : એ ગુનો જ કહેવાય ને ! જેટલો ગુનો હોય એટલો આપણને દંડ પડે. જેટલા ઓછા પરિગ્રહથી જીવાય એ ઉત્તમ જીવન છે.

સામનો, પણ શાંતિથી

પ્રશ્નકર્તા : ચોરી ન કરવી, હિંસા ન કરવી એમ આપ કહો છો. તો કોઈ વ્યક્તિ આપણી વસ્તુ ચોરી જાય, એ આપણી સાથે છેતરપિંડી કરે. તો

(પા.૨૬)

આપણે તેનો સામનો કરવો જોઈએ કે નહીં ?

દાદાશ્રી : સામનો કરવો જ જોઈએ. પણ તે આપણે એવો સામનો કરવો નહીં કે આપણું મન બગડી જાય. ખૂબ ધીમે રહીને આપણે કહીએ કે, ‘ભઈ, મેં તમારું શું બગાડ્યું છે તે આ બધું આમ કરો છો ?’ અને આપણું સો રૂપિયાનું ચોરી ગયો હોય અને આપણે એની પર ગુસ્સે થઈએ તો આપણે એ સો રૂપિયા માટે આપણું પાંચસો રૂપિયાનું નુકસાન કર્યું. એટલે એવું સો રૂપિયા માટે પાંચસો રૂપિયાનું નુકસાન આપણે ન કરીએ. એટલે શાંતિથી વાત કરવી જોઈએ. ગુસ્સો નહીં કરવો જોઈએ.

હિંસાનો વિરોધ, બચાવે અનુમોદનાથી...

પ્રશ્નકર્તા : માનસિક દુઃખ આપવું, કોઈને છેતરવું, વિશ્વાસઘાત કરવો, ચોરી કરવી વગેરે સૂક્ષ્મ હિંસા ગણાય ?

દાદાશ્રી : એ બધી હિંસા જ છે. સ્થૂળ હિંસા કરતાં આ હિંસા મોટી છે. એનું ફળ બહુ મોટું આવે છે. કોઈને માનસિક દુઃખ આપવું, કોઈને છેતરવું, વિશ્વાસઘાત કરવો, ચોરી કરવી એ બધું રૌદ્રધ્યાનમાં જાય છે ને રૌદ્રધ્યાનનું ફળ નર્કગતિ છે.

પ્રશ્નકર્તા : પરંતુ એ સૂક્ષ્મ હિંસાને જ મહત્વ આપીને મોટી દ્રવ્યહિંસા, મૂંગા પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા, હત્યા અને તેમના શોષણથી કે હિંસાથી મેળવવામાં આવતી સામગ્રીનો વપરાશ કરવો કે તેને પ્રોત્સાહન આપી મોટી હિંસા પ્રત્યે ઉદાસીનતા સેવવામાં આવે તો એ ઉચિત ગણાય ?

દાદાશ્રી : એ ઉચિત ન ગણાય. એનો વિરોધ તો હોવો જ જોઈએ. વિરોધ નથી તો તમે એને અનુમોદના કરો છો, બેમાંથી એક જગ્યાએ છો. જો વિરોધ નહીં હોય તો અનુમોદના કરો છો. એટલે ગમે તે હોય કે જ્ઞાની હોય, પણ એમણે વિરોધ બતાવવાની જરૂર. નહીં તો અનુમોદનામાં પેસી ગયા.

પ્રશ્નકર્તા : હિંસા નીચે આવેલા કોઈ પણ પશુ-પંખી કે ગમે તે હોય,

(પા.૨૭)

તો તેના ઉદયમાં હિંસા આવેલી હોય, તો તે અટકાવવા આપણે નિમિત્ત બની શકીએ ખરાં ?

દાદાશ્રી : ગમે તેના ઉદયમાં એ આવ્યું હોય અને તમે જો અટકાવવા નિમિત્ત ન થાવ તો તમે હિંસાને અનુમોદના કરો છો. એટલે તમારે અટકાવવા ફરવું. એને ગમે તે ઉદય હોય, પણ તમારે તો અટકાવવા ફરવું જ જોઈએ.

જેમ રસ્તામાં કોઈ જતો હોય અને એનાં કર્મના ઉદયે એ અથડાયો ને પગમાં નુકસાન થઈ ગયું, અને તમે ત્યાં રહીને જતા હો, તો તમારે ઉતરી અને આપણા કપડાંથી એનો પાટો બાંધવો. ગાડીમાં લઈને મૂકી આવવું જોઈએ. ભલે એના કર્મના ઉદયથી એને થયું હોય, પણ આપણે ભાવ બતાવવા જોઈએ. નહીં તો તમે એના વિરોધી ભાવથી બંધાઈ જશો ને મુક્ત નહીં થાવ. આ જગત એવું નથી કે મુક્ત કરી શકે.

પ્રશ્નકર્તા : અધ્યાત્મમાં રુચિ ધરાવનાર માટે હિંસા અટકાવવાના પ્રયત્નો કરવા જરૂરી ગણાય ખરું ? જો જરૂરી હોય તો તે અંગે આપ માર્ગદર્શન-ઉપદેશ-સલાહ આપશો ?

દાદાશ્રી : અધ્યાત્મમાં રુચિ ધરાવતા હોય અને હિંસા અટકાવવાના પ્રયત્નો ન કરે એ તો હિંસાની પ્રેરણા કરી કહેવાય. હિંસા અટકાવવાના પ્રયત્નો ન કરે તો હિંસાને અનુમોદના કરી કહેવાય. માટે ગમે તે અધ્યાત્મ હોય, પણ હિંસા અટકાવવાનો પ્રયત્ન તો હોવો જ જોઈએ.

પ્રશ્નકર્તા : આવા સંજોગોમાં મોટી દ્રવ્યહિંસાનું નિવારણ શા માટે નહીં સૂઝતું હોય ?

દાદાશ્રી : એ દ્રવ્યહિંસાના નિવારણની ખાસ જરૂર છે. એના માટે આપણે બીજા પ્રયત્નો કરીએ, સારી રીતે બધા ભેગા થઈ અને મંડળો રચી અને ગવર્નમેન્ટમાં પણ આપણા ચૂંટેલા માણસો મોકલીએ તો ઘણું ફળ મળે. બધાએ ભાવ કરવાની જરૂર છે અને મજબૂત ભાવ કરવાની જરૂર છે, પ્રોત્સાહન આપવાની જરૂર છે.

(પા.૨૮)

પ્રશ્નકર્તા : પણ દાદા, છેવટે તો આ બધો હિસાબ જ છે ને ?

દાદાશ્રી : હા, હિસાબ છે. પણ એ હિસાબ કહેવું એ છે તે થઈ ગયા પછી કહેવાય. હિસાબ કહીએ તો બધું બગડી જાય. આપણા ગામમાં બાવાઓ આવ્યા હોય ને છોકરાઓ ઉઠાવી જતા હોય તો પણ આપણે કહીએ છીએને કે પકડો આ લોકોને અને અટકાવી દો ! એટલે જેમ પોતાનાં છોકરાંને કોઈ લઈ જાય, ઉઠાવી જાય તો કેટલું દુઃખ થાય ? એવી રીતે આ ગાયો-ભેંસો એ બધું કપાય એના માટે મનમાં બહુ જ દુઃખ રહેવું જોઈએ અને એના સામે વિરોધ થવો જોઈએ. નહીં તો એ કામ સફળ જ ના થાય ને ! બેસી રહેવાની જરૂર જ નથી. એ કર્મના ઉદય માનીએ, પણ ભગવાનેય આવું નહોતા માનતા. ભગવાનેય વિરોધ બતાવતા હતા. માટે આપણે વિરોધ બતાવવો જોઈએ, એકતા સર્જવી જોઈએ અને એના સામે પડવું જોઈએ. આમાં તો કંઈ હિંસાના વિરોધી નથી, પણ અહિંસક ભાવ છે એ તો !

કૃષ્ણનું ગોવર્ધન - ગાયોનું વર્ધન

કૃષ્ણ ભગવાનના કાળમાં હિંસા બહુ વધી ગઈ હતી. તે કૃષ્ણ ભગવાને પછી શું કર્યું ? ગોવર્ધન પર્વત ઝાલ્યો, એક આંગળીથી. હવે ગોવર્ધન પર્વત આંગળી પર ઝાલ્યો, એ શબ્દ સ્થૂળમાં રહ્યો. પણ લોક એની સૂક્ષ્મ ભાષા સમજ્યા નહીં. ગોવર્ધન એટલે ગાયોનું વર્ધન કેમ થાય એવું બધું ઠેર ઠેર પ્રયોજન કર્યું અને ગોરક્ષાનું પ્રયોજન કર્યું. વર્ધનનું અને રક્ષાનું બન્ને પ્રયોજન કર્યું. કારણ કે હિન્દુસ્તાનના લોકોનું મુખ્ય જીવન જ આની પર છે. એટલે બહુ જ હિંસા વધી જાયને ત્યારે બીજું બધું છોડી દઈને પહેલું આ સાચવો. અને જે હિંસક જાનવરો છે ને, એને માટે તો આપણે કશું કરવાની જરૂર નથી. એ જાનવરો પોતે જ હિંસક છે. એને માટે તમારે કશું કરવાની જરૂર નથી. તે એને કોઈ મારતા યે નથી ને એ ખવાય પણ નહીં ને ! આ બિલાડાને કોણ ખાય ? કૂતરાને કોણ ખઈ જાય ? કોઈ ના ખાય ને કોઈથી ખવાય પણ નહીં. એટલે આ એકલું જ, ગોવર્ધન અને ગોરક્ષા, બે વસ્તુ જ પહેલી પકડવા જેવી છે.

ગોવર્ધનના બહુ ઉપાય કરવા જોઈએ. કૃષ્ણ ભગવાને એક આંગળી

(પા.૨૯)

ઉપર ગોવર્ધન કર્યુંને, તે બહુ ઊંચી વસ્તુ કરી હતી. એમણે ઠેર ઠેર બધી ગોવર્ધનની સ્થાપના કરી હતી અને ગોશાળાઓ ચલાવી દીધી. હજારો ગાયોનું પોષણ થાય એવું કર્યું. ગોવર્ધન અને ગોરક્ષા, આ બે મૂકી દીધું. રક્ષા કરી તેથી અટક્યું. અને પછી ઠેર ઠેર દૂધ-ઘી બધીય ચીજ મળ્યા કરે ને ! એટલે ગાયો બચાવવા કરતાં ગાયોની વસ્તી કેમ કરીને વધે એ બહુ કરવાની જરૂર છે.

ગાયો રાખવાથી આટલા ફાયદા છે, ગાયોના દૂધમાં આટલા ફાયદા છે, ગાયોના ઘીમાં આટલા ફાયદા છે, એ બધું ઓપન કરવામાં આવે અને ફરજિયાત તો નહીં પણ મરજિયાતમાં લોકોને પોતે સમજાવી અને દરેક ગામોમાં ગાયોનો રિવાજ કરવામાં આવે તો ગાયો બધી બહુ વધી જાય. પહેલા બધે ગોશાળા રાખતા હતા, તે હજાર-હજાર ગાયો રાખતા હતા. એટલે ગાયો વધારવાની જરૂર છે. આ તો ગાયો વધતી નથી અને એક બાજુ આ ચાલ્યા કરે છે. પણ આ તો કોઈનેય આપણે ના કહેવાય નહીં ! ના કહીએ તો ગુનો કહેવાય. અને કોઈ ઓછું ખોટું કરે છે ? બચાવે છે ને !

પ્રશ્નકર્તા : અમે ગાયો છોડાવતા નથી, પણ આવતી અટકાવીએ છીએ.

દાદાશ્રી : હા, આવતી અટકાવો. એના મૂળ માલિકને સમજાવો કે આવી રીતે ના કરશો. અત્યારે તો ગોવર્ધન અને ગોરક્ષા, પહેલા આ બે કાયદા પકડો. બીજાં બધા સેકન્ડરી ! આ કમ્પ્લિટ થઈ જાય, પછી બીજા.

એટલે આ ગોવર્ધન અને ગોરક્ષા, આ બે કૃષ્ણ ભગવાને વધારે પકડ્યું હતું. અને ગોવર્ધન કરનારા ગોપ અને ગોપી. ગોપ એટલે ગોપાલન કરનારા !

પ્રશ્નકર્તા : ગોવર્ધન, આ વાત બહુ નવી જ મળી.

દાદાશ્રી : હા, વાતો છે જ બધી. પણ જો એનું વિવરણ થાય તો કામનું. બાકી તો વાતો બધી હોય છે જ ને સાચી જ હોય છે. પણ આ લોકો પછી એને સ્થૂળમાં લઈ ગયા. કહેશે, ‘ગોવર્ધન પર્વત ઊંચક્યો.’ એટલે પેલા ફોરેનના સાયન્ટિસ્ટો કહેશે, ‘ગાંડી છે આ વાત, પર્વત ઊંચકાતો હશે કોઈથી ?’ ઊંચકે તો હિમાલય કેમ ના ઊંચક્યો ? અને પછી તીર વાગવાથી કેમ મરી ગયા ? પણ એવું ના હોય.

(પા.૩૦)

ગોવર્ધન એમણે બહુ સુંદર રીતે કરેલું. કારણ કે તે વખતમાં હિંસા બહુ વધી ગયેલી, જબરજસ્ત હિંસા વધી ગયેલી. કારણ કે મુસ્લિમો એકલા હિંસા કરે છે એવું નથી. હિંદુઓમાં અમુક ઉપરની ક્વૉલિટી જ હિંસા નથી કરતી, બીજી બધી પ્રજા હિંસા કરનારી છે.

હિંસક ભાવ તો ના જ હોવો જોઈએ ને ! માણસને અહિંસક ભાવ તો હોવો જ જોઈએ ને ! અહિંસા માટે જીવન ખર્ચી નાખવું, એનું નામ અહિંસક ભાવ કહેવાય.

શું પૂજાના પુષ્પમાં પાપ ?

પ્રશ્નકર્તા : મંદિરમાં પૂજા કરવામાં ફૂલ ચઢાવવામાં પાપ છે કે નહીં ?

દાદાશ્રી : મંદિરમાં ભગવાનની પૂજા કરવામાં ફૂલ ચઢાવવામાં આવે છે એ બીજી દ્રષ્ટિથી જોવાનું છે. ફૂલ તોડવા એ ગુનો છે. ફૂલ વેચાતા લેવા એ પણ ગુનો છે. પણ બીજી દ્રષ્ટિથી જોતાં એમાં લાભ છે. કઈ દ્રષ્ટિ એ હું તમને સમજાવું.

આજે કેટલાંક લોકો માને છે કે ફૂલમાં મહાદોષ છે અને કેટલાંક લોકો ફૂલને ભગવાન ઉપર ચઢાવે છે. હવે એમાં ખરી હકીકત શું છે ? આ વીતરાગોનો માર્ગ જે છે તે લાભાલાભનો માર્ગ છે. બે ફૂલ ગુલાબનાં તોડી લાવ્યો, તે એણે હિંસા તો કરી. એની જગ્યા પરથી તોડ્યું એટલે હિંસા તો થઈ જ છે. અને એ ફૂલ પોતાને માટે વાપરતો નથી. પણ એ ફૂલ ભગવાન ઉપર ચઢાવ્યા અગર જ્ઞાની પુરુષ ઉપર ચઢાવ્યા, એ દ્રવ્યપૂજા થઈ કહેવાય. હવે આ હિંસા કર્યા બદલ ફાઈવ પરસેન્ટનો દંડ કરો અને ભગવાન ઉપર ફૂલ ચઢાવ્યા તો ફોર્ટી પરસેન્ટ પ્રોફિટ આપો અગર તો જ્ઞાની પુરુષ ઉપર ફૂલ ચઢાવ્યાં તો થર્ટી પરસેન્ટનો પ્રોફિટ આપો. તો પણ પચ્ચીસ ટકા બચ્યાને એટલે લાભાલાભના વેપાર માટે બધું છે આ જગત. લાભાલાભનો વેપાર કરવો જોઈએ. અને જો લાભ ઓછો થતો હોય ને અલાભ થતો હોય તો એ બંધ કરી દો. પણ આ તો અલાભ કરતાં લાભ વધારે થાય છે. પણ તું ફૂલ ચઢાવીશ નહીં, તો તારો વેપાર બંધ થઈ ગયો.

(પા.૩૧)

પુષ્પ પાંખડી જ્યાં દુભાય...

પ્રશ્નકર્તા : અત્યાર સુધી જે પુષ્પો તોડ્યાં હશે, તો એનાં કંઈ પાપ દોષ લાગ્યા હશે ?

દાદાશ્રી : અરે, પુષ્પો એક હજાર વર્ષ તોડે અને એક જિંદગી લોકોની જોડે કે ઘરમાં કષાય કરે, ઘરમાં કકળાટ કરે, તો પેલા કરતાં આ કષાયનો દોષ વધી જાય. તેથી કકળાટ પહેલો બંધ કરવાનો કહ્યો છે ભગવાને. પુષ્પોનો તો કશો વાંધો નથી. છતાંય પુષ્પો જરુરિયાત ન હોય તો ન તોડવા જોઈએ. જરૂરિયાત એટલે દેવ ઉપર મૂકવા તોડીએ તો વાંધો નહીં. શોખને માટે ન તોડવા જોઈએ.

પ્રશ્નકર્તા : પણ એવું કહે છે ને, ‘પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જિનવરની નહીં ત્યાં આજ્ઞા.’

દાદાશ્રી : એ તો કૃપાળુદેવે કહ્યું છે. તીર્થંકરોએ લખેલું, તે કૃપાળુદેવે તીર્થંકરના શબ્દો લખ્યા છે. પણ એ તો ક્યાં આગળ ? કે જેને આ સંસારની કશી ચીજ જોઈતી ના હોય એવી શ્રેણી ઉત્પન્ન થાય ત્યારે ! અને તમારે તો હજુ આ બુશકોટ પહેરવાનો છે ને ?

પ્રશ્નકર્તા : તેય ઈસ્ત્રીવાળો !

દાદાશ્રી : અને તે પાછું ઈસ્ત્રીવાળો ! એટલે આ સંસારના લોકોને તો દરેક ચીજ જોઈએ છે. માટે કહે છે કે, ‘ભગવાનના માથે ફૂલ મેલજો. તે આપણા તીર્થંકર ભગવાનની મૂર્તિ પર ફૂલ મૂકે છે કે નથી મૂકતા ? તમે નથી જોયાં હજુ ? મૂર્તિપૂજા કરવા નથી ગયેલા ને ?! ત્યાં મૂર્તિ પર ફૂલ મૂકે છે.

ભગવાને સાધુઓને કહ્યું હતું કે તમે ભાવપૂજા કરજો. અને જૈનો દ્રવ્યપૂજા સાથે કરે. દ્રવ્યપૂજા કરવાથી એમની અડચણો બધી તૂટી જાય. એટલે અમે શું કહીએ છીએ કે જેને અડચણ હોય તે જ્ઞાની પુરુષને ફૂલ ચઢાવે ને અડચણ ના હોય તેને કંઈ જરૂર નથી. બધાંને કંઈ સરખું હોય છે ? કેટલાંકને કેવી કેવી અડચણો હોય છે ! તે બધી જતી રહે. અને ‘જ્ઞાની પુરુષ’ને તો આમાં કશું અડતુંય નથી ને નડતુંય નથી.

(પા.૩૨)

છતાં કેટલાંક લોકો મને કહે છે કે, ‘પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જિનવરની નહીં આજ્ઞા. ભગવાનની આજ્ઞા નથી ને ?’ મેં કહ્યું કે, ‘આ તો કોલેજના ત્રીજા વર્ષની વાત અત્યારે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં શું કામ લાવો છો ? કોલેજના ત્રીજા વર્ષમાં એનું એટેન્શન દેવાનું. તમે અત્યારે સેકન્ડમાં શું કરવા લાવો છો આ બધું ?’ ત્યારે એ કહે છે, ‘એ તો વિચારવા જેવી વાત છે.’ મેં કહ્યું કે, ‘ત્યારે વિચારો. આ સેકન્ડ, થર્ડ સ્ટાન્ડર્ડમાં લાવવાની જરૂર નથી. તમે છેલ્લા વર્ષમાં આવો ત્યારે કરજો ને !’ ત્યારે કહે છે કે, ‘એની લિમિટ કેટલી હોય ?’ મેં કહ્યું કે, ‘છેલ્લા અવતારમાં ભગવાન મહાવીર પૈણેલા હતા, એવું તમે નથી જાણતા ?’ ત્યારે કહે કે, ‘હા, પૈણેલા હતા.’ મેં કહ્યું કે, ‘કેટલા વર્ષ સુધી સંસારમાં રહ્યા હતા ?’ ત્યારે કહે, ‘ત્રીસ વર્ષ સુધી.’ મેં કહ્યું કે, ‘સંસારમાં રહ્યા એનો કોઈ પુરાવો છે તમારી પાસે ?’ ત્યારે કહે કે, ‘એમને છોડી હતી ને !’ મેં કહ્યું કે, સંસારમાં રહે છે, એટલે એ તો સ્ત્રીના અપરિગ્રહી તો નહોતા જ ને ? પરિગ્રહી હતા. પરિગ્રહી હોય તો છોકરી હોય ને ? નહીં તો પુરાવો કેવી રીતે હોય ? એટલે ત્રીસ વર્ષ સુધી એ પરિગ્રહી હતા. તો ભગવાને એવું શું જોયું કે સ્ત્રીનો પરિગ્રહ તે અવતારમાં હોય અને તે અવતારમાં મોક્ષે પણ જવાય ? તો એમણે એવી શી શોધખોળ કરી ?! એટલે આ ફાઈનલ પરની વાત છે બધી.

એટલે મૂર્તિનેય ફૂલ ચઢાવાય ને આપણા તીર્થંકરોની મૂર્તિનેય ફૂલ ચઢાવાય. આ તો આમ પુષ્પપાંખડી નથી દુભવતા અને આમ જોડેવાળાની જોડે કષાય કરી કરીને દમ કાઢી નાખે છે. પુષ્પની પાંખડી ના દુભાય એવા માણસથી તો એક કૂતરું ઊંઘતું હોય ને એ ત્યાં રહીને પસાર થાય તો કૂતરું જાગે નહીં એવું હોય.

આ પુષ્પપાંખડી સુદ્ધાં યે ન દુભાય એ છેલ્લા અવતારમાં છેલ્લાં પંદર વર્ષ મોક્ષે જતાં બાકી રહ્યાં હોય ત્યારે જ બંધ કરવાનું હોય. એટલે છેલ્લાં પંદર વર્ષ માટે સાચવી લેવાનું છે. અને જ્યારથી સ્ત્રીનો જોગ છોડીએ ત્યાર પછી એની મેળે આ પુષ્પ ને એ બધુંય મૂકી દેવાનું. અને એ તો એની મેળે જ બંધ થઈ જાય છે. એટલે ત્યાં સુધી વ્યવહારમાં કશું ડખલ કરવી નહીં.

(પા.૩૩)

એકેન્દ્રિય જીવોની સૃષ્ટિ

પ્રશ્નકર્તા : આ અપકાય, તેઉકાય, પૃથ્વીકાય, વાયુકાય, વનસ્પતિકાય એ શું છે ?

દાદાશ્રી : એ બધાં એકેન્દ્રિય જીવો છે.

પ્રશ્નકર્તા : પાણીમાં જીવ છે એ અમને શ્રદ્ધા બેસી ગઈ છે એટલે અમે ઊકાળીને પાણી પીએ છીએ.

દાદાશ્રી : મારું કહેવાનું કે પાણીમાં જીવોની વાત તમે જે સમજ્યા છો ને કહો છોને, એ તો આ લોકોએ કહેલું એ તમે માની લીધેલું છે. બાકી, વાત આમાં સમજણ પડે એવી નથી. આજના મોટા મોટા સાયન્ટિસ્ટોને સમજણ પડે એવી નથી ને ! ને વાત બહુ ઝીણી છે. એ જ્ઞાનીઓ પોતે સમજી શકે. પણ આને વિવરણપૂર્વક સમજાવવા જાય તોય તમને સમજાય નહીં એવી વાત છે. આ પાંચ જે છે ને, એમાં વનસ્પતિકાય એકલું જ સમજાય એવું છે. બાકી વાયુકાય, તેઉકાય, જલકાય અને પૃથ્વીકાય, આ ચાર જીવો સમજવા માટે બહુ ઊંચું લેવલ જોઈએ.

પ્રશ્નકર્તા : સાયન્ટિસ્ટો એ જ શોધખોળ કરી રહ્યા છે ને !

દાદાશ્રી : પણ સાયન્ટિસ્ટો નહીં સમજી શકે. આ ઝાડમાં એકલામાં સમજી શકાય. તેય બહુ રીતે નહીં, અમુક જ રીતે સમજી શકાય.

એવું છે, આ તમને ભગવાનની ભાષાની વાત કહી દઉં. આ ઝાડ-પાન જે બધાં ઊઘાડી આંખે દેખાય છે, એ વનસ્પતિકાય છે. આ ઝાડમાં પણ જીવ છે. આ વાયુકાય એટલે વાયુમાં પણ જીવો છે, એ વાયુકાય જીવો કહ્યા. પછી આ માટી છે ને, એની મહીં પણ જીવેય છે ને માટી યે છે. આ હિમાલયમાં માટી છે, પથ્થર છે એ બધામાં જીવ છે. પથરાં પણ જીવતા હોય છે, એને પૃથ્વીકાય જીવ કહ્યા. આ અગ્નિના ભડકા બળે છે ને, તે ઘડીએ એ કોલસામાં અગ્નિ નથી હોતો. એ તો તેઉકાય જીવો ત્યાં ભેગા થઈ જાય છે. તે તેઉકાય જીવો. આ પાણી પીએ છે, એ નર્યાં જીવડાંનું જ બનેલું છે. હા, જીવ અને

(પા.૩૪)

એનો દેહ - બે ભેગું થઈને આ પાણી છે. એને ભગવાને અપકાય નામના જીવ કહ્યા. એ પાણીરૂપી જેનું શરીર છે. એવા કેટલાં બધાં જીવોનું ભેગું થયેલું એક પ્યાલો પાણી થાય. હવે આ પાણી એ જીવો, આ ખોરાક એ જીવો, આ હવા એય નર્યા જીવો, બધું જીવો જ છે.

સિદ્ધિ, અહિંસા તણી

પ્રશ્નકર્તા : તો હવે અહિંસા કેમ કરીને સિદ્ધ થાય ?

દાદાશ્રી : અહિંસા ? ઓહોહો, તે અહિંસા સિદ્ધ થાય તો માણસ ભગવાન થાય ! અત્યારે થોડી ઘણી અહિંસા પાળો છો ?

પ્રશ્નકર્તા : સાધારણ, બહુ નહીં.

દાદાશ્રી : તો પછી થોડીક પાળવાની નક્કી કરો ને ! વળી પાછાં સિદ્ધ થવાની વાતો ક્યાં કરો છો ? અહિંસા સિદ્ધ થાય એટલે ભગવાન થઈ ગયો !

પ્રશ્નકર્તા : એ અહિંસા પાળવાનો ઉપાય બતાવો.

દાદાશ્રી : એક તો, જે જીવ આપણાથી ત્રાસ પામે તેને દુઃખ નહીં આપવું, તેને ત્રાસ નહીં આપવો. અને ઘઉં છે, બાજરી છે, ચોખા છે, એને ખાવ. એનો વાંધો નથી. એ આપણાથી ત્રાસ નથી પામતા, એ બેભાનપણે છે અને આ કીડી-મંકોડાં એ તો દોડી જાય છે, એને ના મરાય. આ છીપલાં-શંખલાનાં જે જીવ હોય છે, જે હલનચલન કરે છે એવાં બે ઇન્દ્રિયથી માંડી અને પાંચ ઇન્દ્રિયના જીવોનું નામ ના દેવાય. માકણનેય તમે પકડો તો ત્રાસ થઈ જાય. તો તમે એને મારો નહીં. સમજ પડીને ?

પ્રશ્નકર્તા : હા, સમજ પડી.

દાદાશ્રી : હા, બીજું, સૂર્યનારાયણ આથમ્યા પછી જમો નહીં.

હવે ત્રીજું, અહિંસામાં જીભનો બહુ કંટ્રોલ રાખવો પડે. તમને કોઈ કહે કે તમે નાલાયક છો, તો તમને સુખ થાય કે દુઃખ થાય ?

પ્રશ્નકર્તા : દુઃખ થાય.

(પા.૩૫)

દાદાશ્રી : તો તમારે એટલું સમજી જવું કે આપણે એને ‘નાલાયક’ કહીએ તો એને દુઃખ થશે. એ હિંસા છે, એટલે આપણે ના કહેવું જોઈએ. જો અહિંસા પાળવી હોય તો હિંસા માટે બહુ સાવચેતી રાખવી પડે. આપણને જેવું દુઃખ થાય એવું બીજાને ન કહી શકીએ.

પછી મનમાં ખરાબ વિચાર પણ નહીં આવવો જોઈએ. કોઈકનું મફતમાં લઈ લેવું છે, પડાવી લેવું છે એવા વિચાર કોઈ આવવા ના જોઈએ. બહુ પૈસા ભેગા કરવાના વિચાર ના આવવાં જોઈએ. કારણ કે શાસ્ત્રકારોએ શું કહ્યું છે કે પૈસા તારા હિસાબના જે છે, એ તો તારા માટે આવ્યા જ કરે છે. તો બહુ પૈસા ભેગા કરવાના વિચાર કરવાની તારે જરૂર જ નથી. તું એવા વિચાર કરે તો તેનો અર્થ હિંસા થાય છે. કારણ કે બીજા પાસેથી પડાવી લેવું, બીજાનો ક્વોટા આપણને લઈ લેવાની ઇચ્છા થાય છે, એટલે એ ત્યાં પણ હિંસા સમાયેલી છે. એટલે આવાં કોઈ ભાવ નહીં કરવા.

પ્રશ્નકર્તા : બસ, આ ત્રણ જ ઉપાય છે અહિંસાના ?

દાદાશ્રી : હજુ છે બીજા. પછી માંસાહાર, ઈંડાં કોઈ દહાડો નહીં ખાવા. પછી બટાકા છે, ડુંગળી છે, લસણ છે, આ ચીજ ના લેશો. નાછૂટકેય ના લેવાં. કારણ કે એ ડુંગળી-લસણ હિંસક છે, માણસને ક્રોધી બનાવે છે અને ક્રોધ થાય એટલે સામાને દુઃખ થાય. બીજા તમારે જે શાક ખાવા હોય તે ખાજો.

પહેલાં મોટા જીવો બચાવો

હવે ભગવાન શું કહેવા માગે છે કે પહેલાં મનુષ્યોને સાચવો. હા, એ બાઉન્ડ્રી શીખો કે મનુષ્યોને તો મન-વચન-કાયાથી કિંચિત્માત્ર દુઃખ ના દેવું. પછી પંચેન્દ્રિય જીવો - ગાય, ભેંસ, મરઘા, બકરા એ બધાં જે છે, તેમની મનુષ્યો કરતાં થોડી ઘણી ઓછી પણ એમની કાળજી રાખવી. એમને દુઃખ ના થાય એવી કાળજી રાખવી. એટલે અહીં સુધી સાચવવાનું છે. મનુષ્ય સિવાયના પંચેન્દ્રિય જીવોને, પણ એ સેકન્ડરી સ્ટેજમાં. પછી ત્રીજા સ્ટેજમાં શું આવે ? બે ઇન્દ્રિયથી ઉપરનાં જીવોને સાચવવાનું.

આહારમાં ઊંચામાં ઊંચો આહાર કયો ? એકેન્દ્રિય જીવોનો ! બે

(પા.૩૬)

ઇન્દ્રિયથી ઉપરના જીવોના આહારનો, જેને મોક્ષે જવું છે એને અધિકાર નથી. એટલે બે ઇન્દ્રિયથી વધારે ઇન્દ્રિયોવાળા જીવોની જવાબદારી આપણે ના કરવી જોઈએ. કારણ કે જેટલી એની ઇન્દ્રિય એટલા પ્રમાણમાં પુણ્યની જરૂર છે, એટલું માણસનું પુણ્ય વપરાઈ જાય ને !

માણસને ખોરાક ખાધા વગર છૂટકો જ નથી અને એ જીવની ખોટ તો માણસને અવશ્ય જાય છે. આપણું જે ભોજન છે એ એકેન્દ્રિય જીવો જ છે. એમનું ભોજન આપણે કરીએ તો એ ભોજ્ય અને આપણે ભોક્તા છીએ ને ત્યાં સુધી જવાબદારી આવે છે. પણ ભગવાને આ છૂટ આપી છે. કારણ કે તમે મહાન સીલ્લકવાળા છો ને તમે એ જીવોનો નાશ કરો છો. પણ એ જીવ ખાઈએ છીએ, તેમાં એ જીવોને શું ફાયદો ? અને એ જીવોને ખાવાથી નાશ તો થાય છે જ. પણ એવું છે, આ ખોરાક ખાધો એટલે તમને દંડ પડે છે. પણ એ ખાઈનેય તમે નફો વધારે કમાવ છો. આખો દહાડો જીવ્યા અને ધર્મ કર્યો તો તમે સો કમાવ છો. એમાંથી દશનો દંડ એમને તમારે ચૂકવવો પડે છે. એટલે નેવું તમારી પાસે રહે છે અને તમારી કમાણીમાંથી દશ એમને મળવાથી એમની ઊર્ધ્વગતિ થાય છે. માટે આ તો કુદરતના નિયમના આધારે જ ઊર્ધ્વગતિ થઈ રહી છે. એ એકેન્દ્રિયમાંથી બે ઇન્દ્રિયમાં આવી રહ્યા છે. એટલે આવી રીતે આ ક્રમેક્રમે વધતું જ ચાલી રહ્યું છે. આ મનુષ્યોના લાભમાંથી એ જીવો લાભ ઊઠાવે છે. એમ હિસાબ બધો ચૂકતે થયા કરે છે. આ બધું સાયન્સ લોકોને સમજાય નહીં ને !

એટલે એકેન્દ્રિયમાં હાથ ના ઘાલશો. એકેન્દ્રિય જીવોમાં તમે હાથ ઘાલશો તો તમે ઈગોઈઝમવાળા છો, અહંકારી છો. એકેન્દ્રિય ત્રસ જીવો નથી. માટે એકેન્દ્રિય માટે તમે કશો વિકલ્પ કરશો નહીં. કારણ કે આ તો વ્યવહાર જ છે. ખાવું-પીવું પડશે, બધું કરવું પડશે.

બાકી, જગત બધું જીવડું જ છે. એકેન્દ્રિય જીવનું તો બધું આ જીવન જ છે. જીવ વગર તો આ દુનિયામાં કોઈ વસ્તુ જ નથી અને નિર્જીવ વસ્તુ ખવાય એવી નથી. એટલે જીવવાળી વસ્તુ જ ખાવી પડે, તેનાથી જ શરીરનું પોષણ રહે છે. અને એકેન્દ્રિય જીવ છે એટલે લોહી, પરુ, માંસ નથી એટલે

(પા.૩૭)

એકેન્દ્રિય જીવો તમને ખાવાની છૂટ આપી છે. આમાં તો એટલી બધી ચિંતાઓ કરવા જાય, તે ક્યારે પાર આવે ? એ જીવની ચિંતા કરવાની જ નથી. ચિંતા કરવાની હતી તે રહી ગઈ અને ના કરવાની ચિંતા ઝાલી પડ્યા છે. આ ઝીણી હિંસાની તો ચિંતા કરવાની જરૂર જ નથી.

કયો આહાર ઉત્તમ ?

પ્રશ્નકર્તા : ક્રમિક માર્ગમાં અમુક ખોરાક ખાવાના કેમ બંધ રાખ્યા ?

દાદાશ્રી : એવું છે, ખોરાકના પ્રકાર છે. તેમાં મનુષ્યને અત્યંત અહિતકારી ખોરાક, કે જેનાથી આગળ બીજું વધારે અહિતકારી ના હોય એવું છેલ્લામાં છેલ્લી પ્રકારનું અહિતકારી તે મનુષ્યનું માંસ ખાવું તે છે. હવે એનાથી સારું ક્યું ? જે જાનવરની ઔલાદ વધતી હોય તે જાનવરનું માંસ ખાવું તે સારું. એટલે આ મરઘાં-બતકાં, એમની ઔલાદ બહુ વધે. આ ગાયો-ભેંસોની ઔલાદ ઓછી વધે. આ માછલાની ઔલાદ બહુ વધે. તો આ માંસ ખાવું સારું. એના કરતાં કોઈ કહેશે, ‘અમારે પ્રગતિ માંડવી છે.’ તો આ માંસ ખાવુંય નુકસાનકારક છે. એની બદલે તું ઈંડાં ખા. માંસ ના ખાઈશ તું. હવે એથીય આગળ વધવું છે, તો એને કહું કે, ‘તું કંદમૂળ ખાજે.’ એથી પણ આગળ વધવું હોય તો એને અમે કહીએ, ‘આ કંદમૂળ સિવાય દાળભાત, રોટલી, લાડવા, ઘી, ગોળ બધું ખા.’ અને એથી આગળ વધવું હોય તો આપણે કહીએ કે, ‘આ છ વીગઈ છે - ગોળ, ઘી, મધ, દહીં, માખણ ને એ બધું બંધ કર ને આ દાળ-ભાત-રોટલી-શાક ખા.’ પછી આગળ આ કશું રહેતું નથી.

આ પ્રમાણે ખોરાકના ભાગ છે. એમાં જેને જે ભાંગો પસંદ પડે તે લે. આ બધા રસ્તા બતાવેલા છે. આ રીતે ખોરાકનું વર્ણન છે. અને આ વર્ણન જાણવા માટે છે, કરવા માટે નથી. આ ભાંગા શેને માટે ભગવાને પાડ્યા છે ? કે આવરણ તૂટે એટલા માટે. આ રસ્તે ચાલે તો મહીં આવરણ તૂટતા જાય.

વિજ્ઞાન, રાત્રિભોજન તણું

પ્રશ્નકર્તા : રાત્રિભોજન અંગે કંઈક માર્ગદર્શન આપો. જૈનોમાં એ નિષેધ છે.

(પા.૩૮)

દાદાશ્રી : રાત્રિભોજન જો ન કરાય તો એ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે. એ સારી દ્રષ્ટિ છે. ધર્મને ને એને લેવા-દેવા નથી. છતાં આ તો ધર્મમાં ઘાલેલું, એનું કારણ શું ? કે જેમ શરીરની શુદ્ધિ હોય એટલું ધર્મમાં આગળ વધે. એ હિસાબે ધર્મમાં ઘાલેલું. બાકી, ધર્મમાં કંઈ એની જરૂર નથી. પણ શરીરની શુદ્ધિ માટે સારામાં સારી વસ્તુ એ છે.

પ્રશ્નકર્તા : તો આ વીતરાગોએ લોકોને જે કહ્યું કે રાત્રિભોજન ન લેવું. એ પાપ-પુણ્ય માટે હતું કે શારીરિક તંદુરસ્તી માટે હતું ?

દાદાશ્રી : શારીરિક તંદુરસ્તી અને હિંસા માટેય કહેલું.

પ્રશ્નકર્તા : પણ રાત્રિભોજન શા માટે ન લેવું જોઈએ ?

દાદાશ્રી : સૂર્યની હાજરીમાં સાંજનો ખોરાક લેવો જોઈએ. એવું જૈનમતે કહ્યું અને વેદાંતેય એવું કહ્યું. સૂર્ય જ્યાં સુધી હોય ત્યાં સુધી અંદર પાંખડી ખુલ્લી રહે છે, માટે તે વખતે જમી લેવું, એવું વેદાંતે કહ્યું. એટલે રાત્રે તું ખોરાક લઈશ તો શું નુકસાન થશે ? કે પેલું કમળ તો બીડાયું, એટલે પાચન તો જલદી ના જ થાય. પણ બીજું શું નુકસાન થશે ? એ આમણે, તીર્થંકરોએ કહ્યું કે રાત્રે સૂર્યનારાયણ આથમે એટલે જીવજંતુઓ જે ફરે છે એ બધા જીવો પોતાના ઘર ભણી પાછાં વળે. કાગડા, કૂતરા, કબૂતર પછી આકાશના જીવો બધા ઘર ભણી વળે, પોતાના માળા ભણી વહન કરે. અંધારું થતાં પહેલાં ઘરમાં પેસી જાય. ઘણી વખત આકાશમાં વાદળ જબરજસ્ત હોય અને સૂર્યનારાયણ આથમ્યો કે ના આથમ્યો એ ખબર ના પડે. પણ જીવો પાછાં ફરે તે વખતે સમજી લેવું કે આ સૂર્યનારાયણ આથમ્યો. પેલા જીવો એમની આંતરિક શક્તિથી જોઈ શકે છે. હવે તે વખતે નાનામાં નાના જીવો પણ ઘરમાં પેસે છે અને બહુ સૂક્ષ્મ જીવો, જે આંખે ના દેખાય, દૂરબિનથી ના દેખાય, એવા જીવો પણ ઘરમાં મહીં પેસી જાય. અને પેસીને જ્યાં આગળ ખોરાક હોય તેની પર બેસી જાય. આપણને ખબરેય ના પડે કે મહીં બેઠાં છે. કારણ કે એનો રંગ એવો હોય છે કે ભાત ઉપર બેસે તો ભાતના જેવો જ રંગ હોય અને ભાખરી પર બેસે તો એ ભાખરીના રંગના દેખાય, રોટલા પર બેસે તો રોટલાના રંગના દેખાય. એટલે રાત્રે આ ખોરાક નહીં ખાવો જોઈએ.

(પા.૩૯)

રાત્રિભોજન ન કરવું જોઈએ, છતાં પણ લોકો કરે છે. એ કેટલાક લોકોને ખબર નથી કે રાત્રિભોજનથી શું નુકસાન છે અને ખબરવાળા હોય તે બીજા સંજોગોમાં ગૂંચાયેલા હોય. બાકી રાત્રિભોજન ના કરે તો બહુ ઉત્તમ છે. કારણ કે એ મહાવ્રત છે. એ પાંચ ભેગું છઠ્ઠું મહાવ્રત જેવું છે.

પ્રશ્નકર્તા : સંજોગવશાત રાત્રિભોજન કરવું પડે તો એમાં કર્મનું બંધન ખરું ?

દાદાશ્રી : ના. કર્મનું બંધન કશુંય નહીં. તે શેનાં આધારે તોડવું પડે છે ? અને જે રાત્રિભોજન ત્યાગ કર્યું, તે કોઈકે શીખવાડ્યું હશે ને ?

પ્રશ્નકર્તા : જૈન તરીકેના સંસ્કાર હોય ને !

દાદાશ્રી : હા. તો ભગવાન મહાવીરનું નામ દઈને પ્રતિક્રમણ કરવું. એ ભગવાનની આજ્ઞા છે એટલે આજ્ઞા પાળવી. અને જે દહાડે ના પળાય તો એમની માફી માગી લેવી. એટલે જો અહિંસા પાળવી હોય તો બનતાં સુધી દિવસે જમો તો ઉત્તમ. તમારું શરીર પણ બહુ સુંદર રહેશે. એવું વહેલું કાયમને માટે જમો છો ?

પ્રશ્નકર્તા : હમણાં હમણાં ચાલુ કર્યું છે.

દાદાશ્રી : કોણે કરાવડાવ્યું ?

પ્રશ્નકર્તા : પોતાની ઈચ્છાથી.

દાદાશ્રી : પણ હવે આ અહિંસાના હેતુપૂર્વક કરું છું એવું માનજો. ‘દાદા’એ મને સમજણ પાડી છે અને મને એ ગમી એટલે અહિંસા માટે જ હું આ કરું છું એવું કરજો. કારણ કે એમ ને એમ હેતુ ના હોય તો ત્યાં સુધી બધું નકામું જાય. તમે કહો કે મારે ફોરેન જવા સારુ જ આ પૈસા ભરું છું. તો ફોરેન જવાની ટિકિટ તમને ભેગી થાય. પણ તમે કશું ના કહ્યું હોય તો શેની ટિકિટ આપે ?

કંદમૂળ, સૂક્ષ્મ જીવોનો ભંડાર

પ્રશ્નકર્તા : કંદમૂળ ખાય એમાં કંઈ નિષેધ ખરો ?

(પા.૪૦)

દાદાશ્રી : બહુ મોટો નિષેધ. રાત્રિભોજન જેટલો નિષેધ નહીં. રાત્રિભોજન સેકન્ડ નંબરે આવે.

પ્રશ્નકર્તા : કાંદા-બટાકામાં અનંત જીવ છે.

દાદાશ્રી : હા, અનંતકાય જીવો છે, તે ?

પ્રશ્નકર્તા : તો એ ખાવાનો આપ બોધ આપો છો ?

દાદાશ્રી : ભગવાને ના પાડી છે. ભગવાને ના પાડી છે એ તમારી બિલીફમાં રહેવું જ જોઈએ. અને તેમ છતાં ખવાય એ તમારા કર્મના ઉદય છે. છતાં તમારી શ્રદ્ધા બગડવી નહીં જોઈએ. ભગવાને જે કહ્યું છે, એ બધી શ્રદ્ધા નહીં બગડવી જોઈએ.

પ્રશ્નકર્તા : કંદમૂળ ન ખાવાનું કેમ કહ્યું ?

દાદાશ્રી : કંદમૂળ તો મગજને જાગૃત ના થવા દે એવું છે.

પ્રશ્નકર્તા : એકેન્દ્રિયની જીવની હાનિ થાય એટલા માટે નહીં ?

દાદાશ્રી : આ તો લોકો એવું જાણે કે બટાકાના જીવડાના રક્ષણ કરવા સારું નહીં ખાવાના. હવે બટાકા ભાવતા હોય ત્યારે બહુ આઘુંપાછું ના કરશો. કારણ કે બીજું કશું આ કાળમાં ખાવાનું લોકોને ભાવતું નથી હોતું. અને એ છોડી દીધું તો શું કરશે ?

પ્રશ્નકર્તા : પણ એવું કહે છે કે બટાકા ખાય તો પાપ લાગે.

દાદાશ્રી : એવું છે, કોઈ જીવને દુઃખ દેશો તો પાપ લાગશે. ધણીને, વાઈફને, છોકરાને, પાડોશીને દુઃખ દેશો તો પાપ લાગશે. બાકી, બટાકા ખાવામાં તમને નુકસાન શું થશે ? કે મગજની સ્થૂળતા આવશે, જાડી બુદ્ધિ થઈ જશે. કંદમૂળમાં સૂક્ષ્મ જીવો બહુ છે, નર્યું જીવનો જ ભંડાર છે. તેથી કંદમૂળથી જડતા આવે ને કષાય ઉત્પન્ન થાય. આપણને જાગૃતિની જરૂર છે. એટલે જો કંદમૂળ ઓછાં ખવાય તો સારું, પણ તેય ભગવાનની આજ્ઞામાં અવાય ત્યાર પછી જાગૃતિની જરૂર છે. અને કંદમૂળ ખાશો તો આ જાગૃતિ મંદ થઈ જાય છે ને જાગૃતિ મંદ થઈ તો મોક્ષે શી રીતે જઈશ ?

(પા.૪૧)

એટલે ભગવાને આ બધી સાચી વાત કહી છે. આ બધી તમારાથી પળાય તો પાળો ને ના પળાય તો કશો વાંધો નથી. જેટલી પળાય એટલી પાળો. જો પળાય તો સારી વાત છે.

મોટામાં મોટી હિંસા, કષાયમાં

આ તો બધું ઊંધું જ બાફી નાખ્યું. એક બાજુ આવું કરે અને એક બાજુ જો કષાય કરે છે ! એટલે ત્રણ રૂપિયા નફો કરે છે ને કરોડ રૂપિયા ખોટ ખાય છે ! હવે આને વેપારી કેમ કહેવાય ? ને આ તો જુઓ, આમ ઠેઠ સુધી ઝાલી બેઠાં છે અને આમ પાર વગરની હિંસા કરે છે. મોટામાં મોટી હિંસા હોય આ જગતમાં, તો કષાયની (એટલે ક્રોધ-માન-માયા-લોભની) ! કોઈ કહેશે કે ભઈ, આ જીવ મારે છે અને આ કષાય કરે છે, તે કોને વધારે પાપ લાગે ? તો કષાય એટલા બધા કિંમતી છે કે જીવ મારે તેનાં કરતાં કષાયમાં વધારે પાપ છે.

વાતને સમજો

એ બધી વાત ભગવાને કહી છે ને, એ તમને સમજવા માટે કહ્યું છે. આગ્રહો પકડવાના નથી. તમે જેટલું બને એટલું કરજો. ભગવાને એમ નથી કહ્યું કે શક્તિ બહાર કરજો.

જ્ઞાનીઓ પૂંછડું પકડાવે એવા નથી હોતા. આ બીજાં તો પૂંછડાં પકડાવે. જ્ઞાનીઓ તો શું કહેતા હતા કે લાભાલાભનો વેપાર જુઓ ! શરીરને ડુંગળીથી પચ્ચીસ ટકા ફાયદો થયો અને પાંચ ટકા ડુંગળીને લઈને નુકસાન થયું, એટલે મારે ઘેર વીસ રહ્યા. એવી રીતે કરતા હતા. જ્યારે આ લોકોએ લાભાલાભનો વેપાર ઉડાડી દીધો છે અને મારી-ઝુડીને ‘ડુંગળી બંધ કરને, બટાકા બંધ કરને’ કહેશે. અલ્યા, શા માટે ? બટાકા જોડે તમારે વેર છે ? કે તમારે ડુંગળી જોડે વેર છે ? અને પેલાને તો જે છોડ્યું હોય ને, તે જ યાદ આવ્યા કરે. ભગવાનની પેઠ એ જ યાદ આવ્યા કરે !

‘અમે’ પણ નિયમો પાળેલા

જો કે હું તો જૈન નહોતો. હું જૈનેતર હતો. તોય મારે આ જ્ઞાન થતાં

(પા.૪૨)

પહેલાં કાયમ કંદમૂળ ત્યાગ હતો, કાયમ ચોવિયાર હતા, કાયમ ગરમ પાણી (ઊકાળીને) પીતો હતો. બહારગામ જઉં કે ગમે ત્યાં જઉં તો યે ઉકાળેલું પાણી. અમે ને અમારા ભાગીદાર બન્નેવ ઉકાળેલાં પાણીની શીશીઓ જોડે રાખતા. એટલે અમે તો ભગવાનના નિયમમાં રહેતા હતા.

હવે કોઈને આ નિયમો કડક પડતા હોય તો કંઈ એવું નથી કે તમારે બધા પાળવા જ જોઈએ. હું તમને એમ ના કહું કે તમે આમ જ કરો. તમારાથી થાય તો કરજો. આ સારી વસ્તુ છે, હિતકારી છે. ભગવાને તો હિતકારી જાણી કહી છે, એને પકડી રાખવા માટે નથી કહ્યું. એના આગ્રહી થઈ જવા માટે નથી કહ્યું.

અમારે જ્ઞાની પુરુષને તો ત્યાગાત્યાગ ના હોય. પણ આ કેટલાંય લોકો એટલા બધા દુઃખી થાય છે કે, ‘તમે ચોવિયાર ના કરો ? અમને બહુ દુઃખ થાય છે.’ મેં કહ્યું, ‘ચોવિયાર કરીશું.’ શું કરું ત્યારે ? એ તો જ્ઞાની થયા પછી તો ત્યાગાત્યાગ સંભવે નહીં. પછી લોકોને સમજણ પડે એવું ગોઠવે. બાકી, અમને કોઈ ચીજની ખપ જ નહીં ને ! અમે તો, હિંસાના સાગરમાં ભગવાને અમને અહિંસક કહ્યા છે. બાકી, અમે તો પહેલેથી કાયમ ચોવિયાર કરતા હતા. હવે તો અમારે આ સત્સંગ ગોઠવ્યો હોય ને, એટલે કોઈ દિવસ ચોવિયાર હોય અને બે-ચાર દિવસ અમારે ચોવિયાર ના યે થાય. પણ અમારો હેતુ ચોવિયારનો. એ મુખ્ય વસ્તુ છે.

ઉકાળેલું પાણી, પીવામાં

પ્રશ્નકર્તા : આ પાણીને ઉકાળીને પીવાનું કહે છે, એ શાથી ?

દાદાશ્રી : એ શું કહેવા માગે છે ? પાણીના એક ટીપામાં અનંત જીવો છે. એટલે પાણીને ખૂબ ઉકાળો એટલે એ જીવો મરી જાય. અને પછી એ પાણી પીવો તો તમને શરીર સારું રહેશે ને તો આત્મધ્યાન રહેશે. ત્યારે તેનું આ લોકો ઊંધું સમજી બેઠા છે.

ભગવાને તો શરીર સારું રહેવા માટે બધા પ્રયોગ બતાવ્યા છે. એટલે ઊલટું પાણી ઉકાળીને પીવાનું કહે છે. પાણી ના ઉકાળીએ, તેને જીવહિંસા પાળી

(પા.૪૩)

કહેવાય. પોતાનું શરીર ભલે બગડે પણ આપણે પાણી ઉકાળવું નથી. તેને બદલે આ તો ભગવાન પાણી ઉકાળીને પીવાનું કહે છે, તો તમારું શરીર સારું રહે. અને આઠ કલાક પછી ફરી પાછું મહીં જીવ પડી જશે, માટે ફરી એ ના પીશો. પાછું બીજું ઉકાળીને એ પીજો, એમ કહે છે.

એટલે આ પાણી ગરમ કરવાનું તે હિંસા માટે નથી કહ્યું, એ શારીરિક તંદુરસ્તી માટે કહ્યું છે. પાણી ગરમ કરવાથી એ જળકાય જીવો ખલાસ થઈ જાય છે. પણ એના પાપને માટે નથી કહ્યું. તમારાં શરીરને બહુ સારું રહે, પેટમાં જીવાત ઊભી ના થાય અને જ્ઞાનને આવરણ ના કરે એટલા માટે કહ્યું છે. એ પાણી ગરમ કરે એટલે મોટાં જંતુ હોય, તે બધાય મરી જાય.

પ્રશ્નકર્તા : તો એ હિંસા થઈને ?

દાદાશ્રી : એ હિંસાનો વાંધો નથી. કારણ કે શરીર તંદુરસ્ત હોય તો તમે ધર્મ કરી શકો. અને આમ તો બધી હિંસા જ છે, આ જગતની અંદર નરી હિંસા જ છે. હિંસા બહાર એક અક્ષરેય નથી. ખાવ છો, પીવો છો, એ બધાં જીવડાં જ છે.

હવે ભગવાને તો એકેન્દ્રિય જીવને માટે આવી ભાંજગડ કહી જ નથી. આ તો બધું ઊંધું બાફી નાખ્યું છે. એકેન્દ્રિય જીવને માટે એવું કહ્યું હોય ને, તો ‘ટાઢું પાણી જ પીજો, નહીં તો પાણી ઉકાળવાથી બધા જીવો મરી જાય’ એવું કહેત. પાણી ગરમ કરવામાં કેટલા જીવ માર્યા ?

પ્રશ્નકર્તા : અનેક.

દાદાશ્રી : એમાં જીવ દેખાતા નથી. પણ એ પાણી છે ને, એ અપકાય જીવ છે. એની કાયા જ પાણી છે, એનું શરીર જ પાણી છે. બોલો હવે, ત્યારે મહીં જીવ ક્યાં બેઠા હશે ? લોકોને એ શી રીતે જડે ? આ તો શરીર દેખાય છે. એ બધાં જીવોનાં શરીર ભેગાં કરીએ તે જ પાણી છે, પાણી રૂપી જેનું શરીર છે એવાં જીવો છે. હવે આનો પાર ક્યાં આવે ?

લીલોતરીમાં સમજાયું ઊંધું

પ્રશ્નકર્તા : ચોમાસામાં લીલોતરી નહીં ખાવી એમ કહે છે, તે શા માટે?

(પા.૪૪)

દાદાશ્રી : લીલોતરીમાંય લોકો અવળું સમજ્યા છે. લીલોતરી એટલે એ જીવની હિંસા નથી. લીલોતરી ઉપર સૂક્ષ્મ જીવાત બેસે છે અને એ જીવાત પેટમાં જાય તો રોગ થાય, શરીરને નુકસાન કરે છે, એટલે પછી ધર્મ થાય નહીં. એટલા માટે ભગવાને ના પાડી છે. આપણે શું કહેવા માગીએ છીએ કે આવું ઊંધું શું સમજ્યા ? તે ચોપડવાની હતી તે બધી પી ગયા અને પીવાની કહી હતી, તે ચોપડ્યા કરે છે તેથી મટતું દેખાતું નથી.

‘એન્ટીબાયોટિક્સ’થી થતી હિંસા

પ્રશ્નકર્તા : તાવ આવ્યો, ગુમડું થયું-પાક્યું, પછી આ જંતુઓ મહીં મારી નાખવાની દવા આપે.....

દાદાશ્રી : એવી જંતુની ચિંતા કરવાની નહીં.

પ્રશ્નકર્તા : પેટમાં કૃમિ થયાં હોય ને એને દવા ના આપે તો પેલું છોકરું મરી જાય.

દાદાશ્રી : એને દવા એવી પાવ કે મહીં કૃમિ કશું રહે જ નહીં, એ કરવાનું જ છે.

પ્રશ્નકર્તા : હવે આત્મસાધના માટે શરીરને સારું રાખવાનું. હવે એને સારું રાખતા જો જીવને હાનિ થાય તો એ કરવું કે ના કરવું ?

દાદાશ્રી : એવું છે ને, આત્મસાધના કોનું નામ કહેવાય છે ? કે તમારે શરીર સાચવવું છે, એવાં જો તમે ભાવ કરવા જશો તો સાધના ઓછી થશે. જો પૂરી સાધના કરવી હોય તો શરીરનું તમારે ધ્યાન નહીં રાખવાનું. શરીર તો એનું બધું લઈને આવેલો છે, બધી જ જાતની સાચવણી લઈને આવેલું છે અને તમારે એમાં કશો ડખો કરવાની જરૂર નથી. તમે આત્મસાધનામાં પૂરા પડી જાવ, હંડ્રેડ પરસેન્ટ. ને આ બીજું બધું કમ્પ્લિટ છે. તેથી હું કહું છું ને, કે ભૂતકાળ વહી ગયો, ભવિષ્યકાળ ‘વ્યવસ્થિત’ના તાબામાં છે એટલે વર્તમાનમાં વર્તો.

છતાં અમે શું કહીએ છીએ કે જે દેહે જ્ઞાની પુરુષને ઓળખ્યા, એને

(પા.૪૫)

મિત્ર સમાન માનજો. આ દવાઓ હિંસક હોય તો તેય પણ કરજો ને, પણ શરીરને સાચવજો. કારણ કે લાભાલાભનો વેપાર છે આ. આ શરીર જો બે વર્ષ ટક્યું વધારે, તો આ દેહે જ્ઞાની પુરુષને ઓળખ્યા છે, તો બે વર્ષમાં કંઈનું કંઈ કામ કાઢી નાખશે અને એક બાજુ હિંસા બાબતમાં ખોટ જશે, તો એનાં કરતાં આ વીસ ગણી કમાણી છે. તો વીસમાંથી ઓગણીસ તો આપણે ઘેર રહ્યા. એટલે લાભાલાભનો વેપાર છે.

બાકી નર્યા જીવડાં જ છે. આ જગત નર્યું જીવડાં જ છે. આ શ્વાસમાં કેટલાંય જીવો મરી જાય છે, તો આપણે શું કરવું ? શ્વાસ લીધા વગર બેસી રહેવું ? બેસી રહેતા હોત તો સારું, એમનો ઉકેલ (!) આવી જાત. વગર કામનું ગાંડપણ કર્યું છે આ તો.

હવે એ બધું આનો કંઈ પાર જ નથી આવે એવો. એટલે જે કંઈ કરતાં હોય ને, તે કરતા રહેવું. આમા કંઈ ચૂંથાચૂંથ કરવા જેવું છે નહીં. ફક્ત જે જીવો આપણાથી ત્રાસ પામે છે એ જીવોનું બને ત્યાં સુધી નામ ના દેશો.

આહાર, ડેવલપમેન્ટના આધારે

ફોરેનવાળા શું કહે છે ? ‘ભગવાને આ દુનિયા બનાવી એટલે આ મનુષ્યોને બનાવ્યા. અને બીજું બધું આ બકરા-માછલા અમારા ખાવા માટે ભગવાને બનાવ્યા.’ અરે, તમારા ખાવા માટે બનાવ્યા ત્યારે આ બિલાડા-કૂતરા-વાઘને કેમ નથી ખાતા ! ખાવા માટે બનાવ્યું હોય તો બધું સરખું બનાવ્યું હોય ને ? ભગવાન આવું કરે નહીં. ભગવાને બનાવ્યું હોય તો બધું તમારે માટે ખાવાલાયક ચીજો જ બનાવે. પણ આ તો જોડે જોડે અફીણેય બનાવે છે કે નથી બનાવતા ? અને કૂચ હઉ હોય છે ને ? એનેય બનાવે છે ને ? જો ભગવાન બનાવતા હોય તો બધું શું કરવા બનાવે ? કૂચ ને એ બધાની શી જરૂર ? મનુષ્યનાં સુખને માટેની જ બધી ચીજ બનાવે નિરાંતે ! એટલે અવળું જ્ઞાન જાણી બેઠા છે કે આ ભગવાને બનાવ્યું. અને એ ફોરેનવાળા તો હજુ પુનર્જન્મ સમજતા નથી. એટલે મનમાં એમ થાય છે કે આ બધું આપણા ખાવા માટે જ છે. હવે પુનર્જન્મને સમજે તો તો મનમાં વિચાર આવે કે આપણો અવતાર થાય ત્યારે શું થાય ? પણ એમને એ વિચાર આવે નહીં.

(પા.૪૬)

આપણા હિન્દુસ્તાનના લોકોને વિચાર આવ્યો, ત્યારે આ બ્રાહ્મણો કહે છે, અમારાથી માંસાહાર ના અડાય. વૈશ્ય કહે છે કે, અમારાથી માસાંહાર ના અડાય. ક્ષુદ્રો કહે છે, અડાય. પણ એ લોકો તો મરેલું જાનવર હોય તેનેય ખાય. અને આ ક્ષત્રિયો છે તેય માંસાહાર ખાય.

ચીઢ, માંસાહારી પર

દાદાશ્રી : તમે વેજીટેરિયન પસંદ કરો કે નોનવેજીટેરિયન ?

પ્રશ્નકર્તા : મેં હજુ નોનવેજીટેરિયનનો ટેસ્ટ કર્યો નથી.

દાદાશ્રી : પણ એ સારી વસ્તુ છે, એવું બોલેલા નહીં ?

પ્રશ્નકર્તા : ના. હું વેજીટેરિયન ખાઉં છું. પણ એનો અર્થ એવો નથી કે નોનવેજીટેરિયન ખરાબ છે.

દાદાશ્રી : બરોબર છે. ખરાબ હું એને કહેતો નથી.

હું પ્લેનમાં આવતો હતો. મારી સીટ ઉપર હું એકલો જ હતો, મારી જોડે બીજું કોઈ હતું જ નહીં. એક મોટો મુસલમાન શેઠ હશે, તે એની સીટ ઉપરથી ઊઠીને મારી બાજુમાં બેઠો, હું કંઈ બોલ્યો નહીં. પછી મને ધીમે રહીને કહે છે, ‘હું મુસલમાન છું અને અમે નોનવેજીટેરિયન ફૂડ ખાઈએ છીએ. તો તમને એના પર કંઈ દુઃખ ન થાય ?’ મેં કહ્યું, ‘ના, ના. હું તમારી જોડે જમવા બેસી શકું છું. ફક્ત હું લઉં નહીં. તમે જે કરી રહ્યા છો તે વ્યાજબી જ કરી રહ્યા છો. અમારે એમાં લેવાદેવા નથી.’ ત્યારે શેઠ કહે, ‘તોય અમારા ઉપર તમને અભાવ તો રહે જ ને ?’ મેં કહ્યું, ‘ના, ના. એ તમારી માન્યતા છોડી દો. કારણ કે તમને આ ગળથૂંથીમાં મળેલો છે. તમારા મધરે નોનવેજીટેબલ ખાધેલું છે અને બ્લડ જ તમારું આ નોનવેજીટેબલનું છે. હવે ફક્ત વાંધો કોને ? કે જેના બ્લડમાં નોનવેજીટેબલ ન હોય, જેની માતાના ધાવણમાં નોનવેજીટેબલ ન હોય, તેને લેવાની છૂટ નહીં. અને તમે લો છો તે ફાયદાકારક-નુકસાનકારક ગણ્યા વગર લેતા હો છો. ફાયદાકારક-નુકસાનકારક જાણીને લેતાં નથી.’

એટલે માસાંહાર જે ખાતા હોય, તેની પર ચિઢ રાખવા જેવું નથી. આ

(પા.૪૭)

તો આપણી ખાલી કલ્પના જ છે. બાકી, જે લોકોને પોતાનો ખોરાક છે, એનો અમને વાંધો નથી.

જાતે કાપીને ખાશો ?

પ્રશ્નકર્તા : પણ આજ તો સોસાયટીમાં પેસી ગયા એટલે માંસાહાર ખાતા હોય છે.

દાદાશ્રી : એ બધો શોખ કહેવાય. આપણા મધરના દૂધમાં આવેલું હોય તો તમારે કાયમને માટે ખાવાનો વાંધો નથી.

પ્રશ્નકર્તા : મધર માસાંહાર ના ખાતા હોય તો શું કરવું ?

દાદાશ્રી : તો તો પછી તમારાથી શી રીતે ખવાય ? તમારા બ્લડમાં ના આવ્યું હોય એ તમને પાચન કેવી રીતે થશે ? એ તમને આજે પાચન થયેલું લાગે છે, પણ એ તો છેવટે એન્ડમાં નુકસાન આવીને ઊભું રહે છે. આજે તમને એ ખબર નહીં પડે. એટલે ન ખાય તો ઉત્તમ છે. છૂટે નહીં તો ‘ખોટું છે, છોડાય તો ઉત્તમ છે’ એવી ભાવના રાખવી.

બાકી, આપણી આ ગાયો કોઈ દહાડો માંસાહાર કરતી નથી, આ ઘોડા ને ભેંસોય કરતી નથી અને તે શોખેય ના કરે. બહુ ભૂખી હોય, તે માંસાહાર મૂકીએ તોય એ ના કરે. એટલું તો જાનવરોમાં હોય છે. જ્યારે અત્યારે તો આ હિંદુઓનાં છોકરા અને જૈનોનાં છોકરા, જેમનાં માબાપ માંસાહાર નથી કરતાં, તેય માંસાહાર કરવાનું શીખી ગયા છે. ત્યારે મેં તેમને કહ્યું કે ‘તમારે માંસાહાર કરવો હોય તો મને વાંધો નથી, પણ જાતે કાપીને ખાવ. મરઘી હોય, તે તમે જાતે કાપીને ખાવ.’ અલ્યા, લોહી જોવાની તો શક્તિ નથી ને માંસાહાર કરે છે ? લોહી જુએ તો આમ આમ ગભરાઈ જાય ! એટલે ભાન નથી કે આ શું ખાઉં છું તે અને લોહી જોઈશ તો તે ઘડીએ તને અરેરાટી છૂટશે. આ તો લોહી જુએને, તેમનું કામ છે. જે લોહીમાં રમેલા હોય એ ક્ષત્રિયોનું આ કામ છે. લોહી જુએ તો ગભરાઈ જાય કે નહીં ?

પ્રશ્નકર્તા : અકળામણ થઈ જાય.

(પા.૪૮)

દાદાશ્રી : તો પછી એનાથી માંસાહાર ખવાય જ કેમ કરીને ? કોઈક કાપે અને તમે ખાવ એ મિનિંગલેસ છે. તમે એ મરઘુ કપાતું હોય, તે ઘડીએ એની જે આર્તતા સાંભળોને, તો આખી જિંદગી સુધી વૈરાગ ના જાય, એટલી આર્તતા થાય. મેં જાતે સાંભળેલું. ત્યારે મને થયું કે ઓહોહો, કેટલું દુઃખ થતું હશે ?!

મહિમા, સાત્વિક આહારનો

પ્રશ્નકર્તા : ભગવાનની ભક્તિમાં શાકાહારી લોકોને અને માંસાહારી લોકોને કંઈ રૂકાવટ આવી શકે ? એમાં આપનું શું મંતવ્ય છે ?

દાદાશ્રી : એવું છે ને, માંસાહારી કેવો હોવો જોઈએ ? એની મધરના દૂધમાં માંસાહારનું દૂધ હોવું જોઈએ. એવા માંસાહારીને ભગવાનની ભક્તિ માટે વાંધો નથી. એની મધરનું દૂધ માંસાહારી ના હોય ને પછી માંસાહારી થયેલો તેનો વાંધો છે. બાકી, ભક્તિ માટે શાકાહારી અને માંસાહારીમાં વાંધો બિલકુલેય નથી.

પ્રશ્નકર્તા : તો શુદ્ધ અને સાત્વિક આહાર વિના ભક્તિ થઈ શકે કે ના થાય ?

દાદાશ્રી : ના થઈ શકે. પણ આ કાળમાં તો હવે શું થાય ? શુદ્ધ સાત્વિક આહાર એ આપણને પ્રાપ્ત થવો કે એ હોવો બહુ મુશ્કેલ વસ્તુ છે ને માણસ આવાં કાળમાં લપટાઈ ના જાય, કળિયુગ અડે નહીં એવા માણસો બહુ થોડા હોય છે. ને ના હોય તો ભાઈબંધી પેસી જાય કે કોઈ એવો ભેગો થાયને, તે એને અવળે રસ્તે ચઢાવી દે. કુસંગ પેસી જાય.

પ્રશ્નકર્તા : અજાણપણે અઘટિત ખોરાક લીધો હોય તો પછી એની કંઈ અસર પડે ખરી ?

દાદાશ્રી : બધાંનું અજાણપણે જ થઈ રહ્યું છે. તોય એની અસર થાય. જેમ અજાણપણે આપણો હાથ દેવતામાં પડે તો ? નાના છોકરાનેય ના બાળે ? નાના છોકરા હઉ બળી જાય. એવું આ બધું જગત અજાણપણે કે જાણપણે બધાને સરખું ફળ આપે છે. ફક્ત ભોગવવાની રીત જુદી છે. અજાણવાળાને અજાણ

(પા.૪૯)

રીતે ભોગવાઈ જાય અને જાણવાળો જાણી જાણીને ભોગવે એટલો જ ફેર છે.

પ્રશ્નકર્તા : એટલે અન્નની અસર મન પર પડે છે, એ પણ નિશ્ચિત છે ?

દાદાશ્રી : બધું આ ખોરાકની જ અસર છે. આ ખોરાક ખાય છે, તે પેટની મહીં એની બ્રાન્ડી થઈ જાય છે અને બ્રાન્ડીથી આખો દહાડો બેભાનપણે તન્મયાકાર રહે છે. તે આ સાત્વિક ખોરાક છે ને, એની પણ પણ બ્રાન્ડી નહીં જેવી થાય છે. પેલી બોટલની બ્રાન્ડી પીવે છે ત્યારે ભાન જ ના આવે, એવું છે. એવું આ ખોરાક મહીં જાય છે, એની બધી બ્રાન્ડી જ થઈ જાય છે. આ લાડવા છે, શિયાળાના વસાણા કહે છે, એ બધું ન્હોય એ સાત્વિક ! સાત્વિક એટલે ખૂબ હલકો ફૂડ અને લડ્ડુ તો કેફ વધારનારો. પણ લોકોય ફાવતું લઈ લે, સગવડિયું કરી નાખે છે.

પ્રશ્નકર્તા : આ માંસાહારની આધ્યાત્મિક વિચારોમાં કંઈ અસર થાય ખરી ?

દાદાશ્રી : ચોક્કસ. માંસાહાર એ સ્થૂળ ખોરાક છે, એટલે આધ્યાત્મની બુદ્ધિ ઉત્પન્ન ના થાય. આધ્યાત્મમાં જવું હોય તો લાઈટ ફૂડ જોઈશે કે જેનાથી મદ ચઢે નહીં ને જાગૃતિ વધે. બાકી, આ લોકોને જાગૃતિ છે જ ક્યાં ?

પેલા ફોરેનના સાયન્ટિસ્ટો આપણી વાત ના સમજે. એ સાયન્ટિસ્ટો કહે, ‘ઓહો ! આ તો બહુ વિચારવા જેવી વાત છે. પણ અમારા માન્યામાં નથી આવતી.’ તે મેં કહ્યું, ‘હજુ ઘણો ટાઈમ લાગશે. ઘણા કૂકડા ને મરઘા ખઈ ગયા છો એટલે વાર લાગશે. એ તો દાળભાત જોઈશે. પ્યૉર વેજીટેરિયનની જરૂર છે.’ વેજીટેરિયન ફૂડ હોય છે એનું આવરણ પાતળું હોય છે એટલે એ જ્ઞાનને સમજી શકે, બધું આરપાર જોઈ શકે અને પેલું માંસાહારીને જાડું આવરણ હોય.

શું માંસાહારથી નર્કગતિ ?

પ્રશ્નકર્તા : કહેવાય છે કે માંસાહાર કરવાથી નર્કગતિ થાય.

(પા.૫૦)

દાદાશ્રી : એ વાત તદ્દન સાચી છે અને ખાવાની બધી બહુ ચીજો છે. શું કરવા બકરાને કાપો છો ? મરઘીને કાપીને ખાય છે તો એને ત્રાસ નહીં થતો હોય ? એનાં માબાપને ત્રાસ નહીં થતો હોય ? તમારા છોકરાને ખાઈ જાય તો શું થાય ? એ માંસાહાર એ વિચાર્યા વગરનું છે બધું. નરી પાશવતા છે બધી, અવિચારુ દશા છે અને આપણે તો વિચારશીલ છીએ. એક જ દહાડો માંસાહાર ખાવાથી તો માણસનું મગજ ખલાસ થઈ જાય, પશુ જેવા થઈ જાય. એટલે મગજ જો સારું રાખવું હોય તો ઈંડાં ખાવા સુધીનું બંધ કરી દેવું જોઈએ. ઈંડાંથી નીચેની બધી પાશવતા જ છે.

આ માંસાહારમાં એ જીવને મારવાનો દોષ છે ને, તેનાં કરતાં તો મહીં આવરણનો દોષ વધારે બેસે છે. મારવાના દોષનો તો ગુનો ઠીક છે એ તો. એ ગુનો કેવી રીતે થાય છે ? મૂળ વેપાર કરે તેને વહેંચાઈ જાય છે. ખાનારને ભાગે તો અમુક જ દોષ જાય છે. પણ આ તો પોતાને મહીં આવરણ કરે ને, એટલે મારી વાત એને સમજવા માટે બહુ આવરણ કર્યા કરે. આ વ્યવહારની વાત કેટલાંક લોકો સ્પીડીલી સમજી જાય છે, એ ગ્રાસ્પિંગ પાવર કહેવાય.

હિસાબ પ્રમાણે ગતિ

પ્રશ્નકર્તા : પણ એવું બને ખરું કે હિંસક માણસ અહિંસક યોનિમાં જાય અગર તો અહિંસક માણસ હિંસકની યોનિમાં જાય ?

દાદાશ્રી : હા, ખુશીથી જાય. અહીં અહિંસક હોય ને બીજા ભવમાં હિંસક થાય. કારણ કે એને ત્યાં એનાં માબાપ હિંસક મળ્યાં. એટલે પછી આજુબાજુ સંજોગ મળ્યાં એટલે એવો થઈ ગયો.

પ્રશ્નકર્તા : એનું કારણ શું ?

દાદાશ્રી : એવું છે, અહિંસક હોય ને, તે જાનવરમાં જાય તો ગાયમાં જાય, ભેંસમાં જાય. હિંસાવાળો અહીંથી વાઘમાં જાય, કૂતરામાં જાય, બિલાડીમાં જાય, જ્યાં હિંસક જાનવર હોય ત્યાં જાય. પણ મનુષ્યમાં અહિંસક હોય ને, તોય હિંસકને ત્યાં અવતાર લે છે. પછી એના પાછાં હિંસકના સંસ્કાર પડે. એય ઋણાનુબંધ છે ને ! હિસાબ છે ને ! રાગ-દ્વેષ થાય એ જ ઋણાનુબંધ.

(પા.૫૧)

જેની જોડે રાગ થયા એટલે ચોંટ્યું. એની પર દ્વેષ કરે તોય ચોંટે. દ્વેષ કરે કે ‘આ નાલાયક છે, બદમાશ છે, આમ છે, તેમ છે’, તો ત્યાં જ અવતાર થાય.

ન અડે કશું અહિંસકને

પ્રશ્નકર્તા : આ કૂતરું કરડે એમાં ક્યાં ઋણાનુબંધ હોય ?

દાદાશ્રી : ઋણાનુબંધ વગર તો એક રાઈનો દાણો તમારા મોઢામાં ના જાય, બહાર જ પડી હોય.

પ્રશ્નકર્તા : જો કૂતરો આપણને કરડે છે તો આપણે કંઈ એની જોડે કર્મ બાંધ્યું હશે ?

દાદાશ્રી : ના, એવું એની જોડે કર્મ બાંધેલું નહીં. પણ આ તો આપણે ત્યાં મનુષ્ય થઈનેય બચકાં નથી ભરતો ? એવું પણ લોક બોલે છેને, કે મૂઓ આ મને બચકાં ભરે છે ! એક જણ તો મને કહે છે કે, ‘મારી વાઈફ તો સાપણ જ જોઈ લો. રાતે બચકાં ભરે છે. હવે એ ખરેખર બચકાં ભરતી નથી. પણ એવું કંઈ બોલે છે તે આપણને બચકું ભરવા જેવું લાગે. હવે એવું બોલ્યા ને, તેના ફળરૂપે આ કૂતરાં બચકાં ભરી જાય, બીજાં બચકાં ભરી જાય. કુદરતને ઘેર તૈયાર સામાન હોય છે, બધે બોમ્બાર્ડિંગ કરવા. તમે જે કર્મ બાંધ્યા છે, એ કર્મ ચૂકવવા માટે એની પાસે બધું જ સાધન તૈયાર છે.

એટલે જો તમારે આ જગતમાંથી, આ દુઃખોમાંથી મુક્ત થવું હોય તો કોઈ તમને દુઃખ દે, પણ તમારે સામે દુઃખ ના દેવું જોઈએ. નહીં તો સહેજ પણ દુઃખ દેશો તો આવતે ભવ એ સાપણ થઈને તમને કૈડશે, બધી હજાર રીતે વેર લીધા વગર રહેશે નહીં. આ દુનિયામાં સહેજેય વેર વધારવા જેવું નથી. પછી આ દુઃખો આવે છે, તે આ બધી ઉપાધિ કરી, કોઈકને દુઃખ દીધાં, તેનાં જ દુઃખો આવે છે ને ! નહીં તો દુઃખ હોય નહીં દુનિયામાં.

પ્રશ્નકર્તા : એટલે આ જીવન તો એક શાશ્વત સંઘર્ષ જ છે.

દાદાશ્રી : હા, પણ જો તમે અહિંસક વાતાવરણ કરશો તો સાપ પણ તમને કરડે નહીં. સામો તમારી પર સાપ નાખે તો યે કરડે નહીં, નાસી જાય

(પા.૫૨)

બિચારો. વાઘેય તમારું નામ ના દે. આ અહિંસાનું એટલું બધું બળ છે કે ન પૂછો વાત ! અહિંસા જેવું કોઈ બળ નથી અને હિંસા જેવી નિર્બળતા નથી. આ તો બધું હિંસા થકી દુઃખ છે, નરી હિંસાથી જ દુઃખ છે.

બાકી, આ દુનિયામાં કોઈ વસ્તુ તમને કરડી શકે એમ છે જ નહીં. અને જે કરડી શકે છે એ જ તમારો હિસાબ છે. માટે હિસાબ ચૂકતે કરી દેજો. અને કરડી ગયા પછી તમે મનમાં જે ભાવ કરો કે ‘આ કૂતરાંને તો મારી જ નાખવા જોઈએ, આમ કરવા જોઈએ, તેમ કરવા જોઈએ.’ તો એ પાછો નવો હિસાબ ચાલુ કર્યો. ગમે તેવી પરિસ્થિતિમાં સમતા રાખીને ઉકેલ લાવે, મહીં સહેજેય વિષમ ના થાય !

પ્રશ્નકર્તા : પણ એ અવસ્થામાં તો જાગૃતિ-સમતા રહેતી નથી.

દાદાશ્રી : આ સંસાર પાર કરવો બહુ મુશ્કેલ છે, તેથી આ અક્રમ વિજ્ઞાન આપીએ છીએ.

ગુનેગાર, કસાઈ કે ખાનાર ?

પ્રશ્નકર્તા : એક કસાઈ હોય, એ ‘દાદા’ પાસે જ્ઞાન લેવા આવ્યો. ‘દાદા’ એ જ્ઞાન આપ્યું. એનો ધંધો ચાલુ જ છે ને ચાલુ જ રાખવો છે, તો એની દશા શું થાય ?

દાદાશ્રી : પણ કસાઈની દશા શું ખોટી છે ? કસાઈએ શું ગુનો કર્યો છે ? કસાઈને તમે પૂછો તો ખરાં કે, ‘ભાઈ, તું કેમ આવો ધંધો કરે છે ?’ ત્યારે એ કહેશે કે, ‘ભાઈ, મારા બાપ-દાદા કરતા હતા, તેથી હું કરું છું. મારા પેટને માટે, મારાં છોકરાનાં પોષણ માટે કરું છું.’ આપણે પૂછીએ, ‘પણ તને આ શોખ છે ?’ ત્યારે એ કહે, ‘ના, મને શોખ નથી.’

એટલે આ કસાઈ કરતાં તો માંસાહાર ખાનારને વધારે પાપ લાગે છે. કસાઈને તો એનો ધંધો જ છે બિચારાનો. એને હું જ્ઞાન આપું. અહીં મારી પાસે આવ્યો હોય તો હું જ્ઞાન આપું. એ જ્ઞાન લઈ જાય તોય કશો વાંધો નહીં. ભગવાનને ત્યાં આનો વાંધો નથી.

(પા.૫૩)

કબૂતર, શુદ્ધ શાકાહારી

આપણે ત્યાં કબૂતરખાના અહીં હિન્દુસ્તાનમાં હોય છે પણ કાગડાખાના નથી રાખ્યા ? કેમ પોપટખાના, ચકલીખાના એવું નથી રાખતા ને કબૂતરખાના જ રાખે છે ? કંઈ કારણ હશે ને ? કારણ કે આ કબૂતર એકલું જ બિલકુલ વેજીટેરિયન છે, નોનવેજને એ અડે જ નહીં. એટલે આપણા લોકો સમજ્યા કે ચોમાસાને દહાડે આ બિચારું શું ખાશે ? એટલે આપણે ત્યાં કબૂતરીઓ રચી અને ત્યાં પછી જુવાર નાખી આવે. હવે મહીં સડેલો દાણો હોય તો એ અડે નહીં. એની મહીં જીવાત છે માટે અડે નહીં. બિલકુલ અહિંસક ! આ મનુષ્યોએ બાઉન્ડ્રી છોડી, પણ આ કબૂતર બાઉન્ડ્રી નથી છોડતાં. કબૂતરેય પ્યૉર વેજીટેરિયન છે. એટલે શોધખોળ કરી કે એનું બ્લડ કેવું ? બહુ જ ગરમ. વધારેમાં વધારે ગરમ બ્લડ એનું છે અને એનામાં સમજણેય બહુ હોય. કારણ કે એ વેજીટેરિયન, પ્યૉર વેજીટેરિયન છે.

એટલે મનુષ્યો એકલાં જ ફળાહારી છે એવું નથી. પણ આપણી ગાયો-ભેંસો, ગધેડા બધાં ફળાહારી છે. એ કંઈ જેવી તેવી વાત છે ? આ ગધેડા બહુ ભૂખ્યા થયા હોય ને માંસાહાર નાખીએ તો ના અડે. એટલે આપણે અહંકારેય લેવા જેવો નથી કે, ‘ભઈ, અમે પ્યૉર વેજીટેરિયન છીએ.’ ના અલ્યા, પ્યૉર વેજીટેરિયન તો આ ગાયો-ભેંસોય છે, એમાં તેં શું કર્યું બીજું ? આ પ્યૉરવાળા તો કોઈક દહાડો ઇંડા યે ખાઈ આવે. જ્યારે પેલા તો કશુંય નહીં. ‘અમે પ્યૉર, પ્યૉર, પ્યૉર’ કરવા જેવુંય નથી અને જે કરે છે એની ટીકા કરવા જેવું છે નહીં.

ઇંડાં ખવાય ?

પ્રશ્નકર્તા : કેટલાંક લોકો તો એવી દલીલ કરે છે કે ઈંડાં બે પ્રકારનાં હોય છે, એક જીવવાળા અને બીજાં નિર્જીવવાળા. તો એ ખવાય કે નહીં ?

દાદાશ્રી : ફોરેનમાં એ લોકો દલીલ કરતા હતા કે અહિંસક ઈંડાં ! એટલે મેં કહ્યું, આ જગતમાં જીવ વગર કશું ખવાય જ નહીં. અજીવ વસ્તુ છેને, એ ખવાય જ નહીં. ઈંડામાં જો જીવ ના હોય તો ઈંડું ખવાય નહીં, એ જડ વસ્તુ થઈ ગઈ. કારણ કે જીવ ના હોય એ જડ વસ્તુ થઈ ગઈ. આપણે

(પા.૫૪)

જીવને ખાવું હોયને તો એને આમ કાપી અને બે-ત્રણ દહાડા સુધી ઊતરી ના જાય ત્યાં સુધી જ ખવાય. આ શાકભાજીય તોડ્યા પછી અમુક ટાઈમ સુધી જ ખવાય, પછી એ ખલાસ થઈ જાય. એટલે જીવતી વસ્તુને ખવાય. એટલે ઈંડું જો નિર્જીવ હોય તો ખવાય નહીં, સજીવ હોય તો જ ખવાય. એટલે આ લોકો જો ઈંડાંને સજીવ ના કહેતા હોય તો એ વાતો બધી હમ્બગ છે. તો શા માટે લોકોને ફસાવો છો આવું ?

એ બીજી જાતનાં ઈંડાંવાળાએ આ જગતમાં એ ઇંડાંને ક્યા રૂપમાં મૂક્યું છે તે જ અજાયબી છે. બીજી જાતના ઈંડાંવાળાને પૂછયું કે આ બીજી જાતવાળો જીવ નિર્જીવ છે કે સજીવ છે એ મને કહે. નિર્જીવ હોય તો ખવાય નહીં. આખી દુનિયાને મૂરખ બનાવી, તમે લોકો કઈ જાતનાં છો તે ? જીવ ના હોય એ ખવાય નહીં આપણાથી, એ અખાદ્ય ગણાય છે.

પ્રશ્નકર્તા : પણ આ વેજીટેરિયન ઈંડું ફળતું નથી.

દાદાશ્રી : એ ફળતું નથી એ ડીફરન્ટ મેટર. પણ આ જીવતું છે.

એટલે આવું બધું ઠસાવી દીધું, તે આ જૈનોનાં છોકરાંને કેટલી મુશ્કેલી ! એની પર તો બધા છોકરાઓ મારી જોડે બાઝયા હતા. પછી મેં એમને સમજાવ્યું કે, ‘ભઈ, આમ જરા વિચાર તો કરો. અજીવ હોય તો વાંધો જ નથી પણ અજીવ તો ખવાય જ નહીં.’ પછી મેં કહ્યું, ‘નહીં તો પછી બહુ જો ડાહ્યા થશો તો તમારે અનાજ કશું ખવાય નહીં. તમે નિર્જીવ ચીજ ખાવ.’ ત્યારે નિર્જીવ ચીજ તો આ શરીરને કામ લાગે નહીં. એમાં વિટામીન ના હોય. નિર્જીવ જે ચીજો છે એ શરીરને ભૂખ મટાડે ખરી, પણ એમાં વિટામીન ના હોય. એટલે શરીર જીવે નહીં. જોઈતું વિટામીન ના મળે ને ! એટલે નિર્જીવ વસ્તુ તો ચાલે નહીં. ત્યારે એ છોકરાઓએ સ્વીકાર કર્યો કે આજથી એ ઈંડાં અમે નહીં ખાઈએ. સમજાવે તો લોક સમજવા તૈયાર છે અને નહીં તો આ લોકો તો એવું ઠસાવી દે છે કે બુદ્ધિ ફરી જાય.

આ બધા ઘઉં ને ચોખા ને આ બધું ખાઈએ છીએ, આવડા આવડા દૂધીયાં ખાઈ જઈએ છીએ, એ બધાં જીવો જ છે ને ! નથી જીવો ? પણ

(પા.૫૫)

ભગવાને ખાવાની બાઉન્ડ્રી આપી છે કે આ જીવો છે તે ખાજો. પણ જે જીવ તમારાથી ત્રાસ પામતો હોય તેને મારો નહીં, એને ખાવ નહીં, એને કશું જ ના કરો.

પ્રશ્નકર્તા : આ ઈંડાં એ ત્રાસ પામતા નથી, તો એ ખાવા સારા કે નહીં ?

દાદાશ્રી : ઈંડાં ત્રાસ પામતા નથી. પણ ઈંડાંમાં અંદર જે જીવ રહ્યો છે ને, તે બેભાન અવસ્થામાં છે. પણ એ ફૂટે ત્યારે આપણને ખબર પડે કે નહીં ?

પ્રશ્નકર્તા : તરત ખબર પડે. પણ ઇંડું આઘુપાછું ના થાય ને ! તો ?

દાદાશ્રી : એ તો ના થાય. કારણ કે બેભાનપણામાં છે. એટલે થાય નહીં. એ તો મનુષ્યનોય ગર્ભ ચાર-પાંચ મહિનાનો હોય, તે ઈંડાંની પેઠ જ હોય છે. માટે કંઈ એને મરાય નહીં. એમાંથી ફૂટે છે તો શું થાય છે, એ આપણે માણસ સમજી શકીએ છીએ.

દૂધ લેવાય ?

પ્રશ્નકર્તા : જેવી રીતે વેજીટેરિયન ઈંડું ખવાય નહીં, એવી રીતે ગાયનું દૂધ પણ ના ખવાય.

દાદાશ્રી : ઈંડુ ખવાય નહીં. પણ ગાયનું દૂધ સારી રીતે ખવાય. ગાયના દૂધનું દહીં ખવાય, અમુક માણસથી માખણેય ખવાય. ના ખવાય એવું કંઈ નથી.

ભગવાને શા સારું માખણ નહોતું ખાવાનું કહ્યું ? તે જુદી વસ્તુ છે. તે પણ અમુક જ માણસને માટે ના કહ્યું છે. ગાયના દૂધનો દૂધપાક કરીને ખાજો નિરાંતે. એની બાસુંદી કરજો ને તોય વાંધો નથી. કોઈ શાસ્ત્રોએ વાંધો ઉઠાવ્યો હોય તો હું તમને કહીશ કે વાંધો નથી ઉઠાવ્યો જાવ, એ શાસ્ત્ર ખોટું છે. છતાં એવું કહે છે કે વધારે ખાઈશ તો તરફડામણ થશે. એ તમારે જોવાનું. બાકી લિમિટમાં ખાજે.

પ્રશ્નકર્તા : પણ દૂધ તો વાછરડા માટે કુદરતે મૂક્યું છે. આપણા માટે નથી મૂક્યું.

(પા.૫૬)

દાદાશ્રી : વાત જ ખોટી છે. એ તો જંગલી ગાયો ને જંગલી ભેંસો હતી ને, તેને પાડુ ધાવે, તે બધું દૂધ પી જાય. અને આપણે ત્યાં તો આપણા લોકો ગાયને ખવડાવીને પોષે છે. એટલે વાછરડાને ધવડાવવાનુંય ખરું અને આપણે બધાએ દૂધ લેવાનુંય ખરું. અને તે આદિ-અનાદિથી આ વ્યવહાર ચાલુ છે. અને ગાયને વધારે પોષણ આપેને, તો ગાય તો ૧૫-૧૫ લિટર દૂધ આપે છે. કારણ કે એને ખવડાવવાનું જેવું સરસ ખવડાવીએ એટલું એનું દૂધ નોર્મલ જોઈએ, તેના કરતાં ઘણું વધારે હોય. એવી રીતે લેવાનું અને બચ્ચાને ભૂખ્યું મારશો નહીં.

ચક્રવર્તી રાજાઓ તો હજાર-હજાર, બબ્બે હજાર ગાયો રાખતા. એને ગોશાળા કહેતા હતા. ચક્રવર્તી રાજા દૂધ કેવું પીતા હશે ? કે હજાર ગાયો હોય ગોશાળામાં, એ હજાર ગાયોનું દૂધ કાઢે, તે સો ગાયોને પાઈ દે. એ સો ગાયોનું દૂધ કાઢવાનું, તે દસ ગાયોને પાઈ દે. એ દશ ગાયોનું દૂધ કાઢવાનું તે એક ગાયને પાવાનું અને એનું દૂધ ચક્રવર્તી રાજા પીતા હતા.

હિંસક પ્રાણીની હિંસામાં હિંસા ?

પ્રશ્નકર્તા : કોઈ પણ પ્રાણીને મારવું તે હિંસા છે. પરંતુ હિંસક પ્રાણી કે જે બીજા પ્રાણી કે મનુષ્યને હિંસા પહોંચાડી શકે અથવા જાનહાનિ કરી શકે, તો તેની હિંસા કરવી કે નહીં ?

દાદાશ્રી : કોઈની હિંસા કરવી નથી એવો ભાવ રાખવો. અને તમે સાપને નહીં મારો તો બીજો કોઈ મારનાર મળી આવશે. એટલે તમારામાં સાપ મારવાની શક્તિ નહીં હોય તો અહીં તો મારનારા બધા બહુ છે, પાર વગરના અને મારનારી અન્ય જાતો પણ બહુ જ છે. માટે તમે તમારી મેળે તમારો સ્વભાવ બગાડશો નહીં. એટલે હિંસા કરવામાં ફાયદો નથી. હિંસા પોતાને જ નુકસાન કરે છે.

જીવો જીવસ્ય જીવનમ્

પ્રશ્નકર્તા : માનવી બુદ્ધિજીવી પ્રાણી છે તો એણે પશુહિંસા ન કરવી જોઈએ. પણ એક પ્રાણી બીજા પ્રાણીને ખાય ને જીવી શકતું હોય તો એ

(પા.૫૭)

માનવી અને પ્રાણી વચ્ચે બુદ્ધિના તફાવતને કારણે આવો ભેદભાવ છે ? પ્રાણી અને પ્રાણી વચ્ચેની હિંસાનું શું ?

દાદાશ્રી : પ્રાણી અને પ્રાણીની વચ્ચેની હિંસામાં યુ આર નોટ રીસ્પોન્સીબલ એટ ઓલ. કારણ કે આ દરિયામાં અંદર કંઈ ખેતરાં હોતાં નથી કે આ કંટ્રોલના અનાજની દુકાનો હોતી નથી. એટલે ત્યાં તો હિંસા ચાલ્યા જ કરે છે. મોઢું પહોળું કરીને મોટાં માછલાં દરેક બેસી રહે છે, તે નાના માછલાં મહીં એનાં પેટમાં જ પેસી જાય છે. છે કશી ભાંજગડ ? પછી મોઢું વાસી દે એટલે બધું ખલાસ ! પણ તમે એને માટે જવાબદાર નથી. એટલે એ તો દુનિયાનો કાયદો જ છે. આપણે ના કહીએ અને પેલા બધાં બકરાને ખાઈ જાય. મોટા જીવ નાના જીવને ખાય, નાનો એથી નાનાને ખાયા કરે, એ નાનો એથી નાનાને ખાયા કરે. એમ કરતાં કરતાં આખું દરિયાનું બધું જગત ચાલી રહ્યું છે. જ્યાં સુધી મનુષ્ય જન્મનો વિવેક ના આવે ત્યાં સુધી બધી છૂટ છે. હવે ત્યાં આગળ કોઈ બચાવવા જતો નથી અને આપણે અહીં આગળ લોકો બચાવવા જાય છે.

સંપૂર્ણ અહિંસકને ન કો’ આંચ

પ્રશ્નકર્તા : પણ આ ગોળીબાર અહિંસક માણસો ઉપર કરે છે.

દાદાશ્રી : અહિંસક માણસો ઉપર ગોળીબાર થાય પણ નહીં. એવો કોઈને કરવો હોય તોય થાય નહીં. અહિંસક જે છેને, એને એકસો બાજુથી ગોળીઓ લઈને ફરી વળેને, તોય પેલાને ગોળી અડે નહીં. આ તો હિંસકોને જ ગોળીબાર અડે છે. એનો સ્વભાવ છે, દરેક વસ્તુનો.

અત્યારે એકલી અહિંસા કરવામાં આવે ને તો આ સંસારમાં લૂંટી લે. ઘડીવાર જો છૂટું મૂકવામાં આવેને તો, અહીં બેસવા યે ના દે. કારણ કે એક તો કળિયુગ છે, લોકોનાં મન બગડી ગયેલાં છે. જાતજાતના વ્યસની થઈ ગયાં છે. એટલે શું ના કરે ત્યાં ? એટલે આ ગોળીઓ એક બાજુ હોય તો એક બાજુ અહિંસા રહી શકે, નહીં તો અહિંસા પરાણે પળાવડાવી પડે.

(પા.૫૮)

જો કે હવે આ કાળ ફેરવે છે આને ! હવે કાળ ફેરવી રહ્યું છે આ બધું અને બહુ સરસ કાળ જોશો તમે. તમે જાતે ખુદ જોશો બધું.

પ્રશ્નકર્તા : એક સંત અહિંસા પાળતા હતા તોય એમનું ખૂન કેમ થયું ? કારણ કે હમણાં આપે કહ્યું કે અહિંસા ઉપર ગોળીબાર નથી થતો.

દાદાશ્રી : અહિંસક કોને કહેવાય ? કે કોઈના કશામાં હાથ ઘાલે નહીં, એનું નામ અહિંસક. એકને કહેશે કે આમને વધારે આપો. કારણ કે નઠારા છે. ભલે નઠારા હોય, તોય એમને વધારે આપો. એટલે આ બાજુના પક્ષવાળાને ખોટું લાગે. એટલે આમને રીસ ચઢે. તે હિંસા કહેવાય. એમાં પડાય જ નહીં. આ ન્યાય જ ના કરાય. અહિંસક જે છે તે ન્યાય જ ના કરે. ન્યાય કરે છે ત્યાં હિંસા છે.

બાકી, એ તો જો તમે સંપૂર્ણ અહિંસા પાળો તો તમારી ઉપર કોઈ ગોળી છોડી શકે એમ નથી. હવે સંપૂર્ણ અહિંસા એટલે શું ? પક્ષપાતી એક શબ્દ મોઢે બોલાય પણ નહીં અને બોલો તો અમુક જ શબ્દ બોલાય. બીજા શબ્દ ના બોલાય. કોઈ બે પાર્ટીના વચ્ચે પડાય નહીં. બે પાર્ટી વચ્ચે પડે તો એકની હિંસા થાય થોડી ઘણી !

જીવોની બલિ

પ્રશ્નકર્તા : કેટલાંક મંદિરમાં જીવોની બલિ અપાય છે, એ પાપ છે કે પુણ્ય છે ?

દાદાશ્રી : એ બલિ ચઢાવનારને આપણે પૂછીએ કે તું શું માને છે આમાં ? ત્યારે એ કહે છે, હું પુણ્ય કરું છું. બકરાને પૂછીએ કે તું શું માને છે ? ત્યારે એ કહે છે, આ ખૂની માણસ છે. એ દેવને પૂછીએ તો એ કહે છે, ‘એ ધરે તો અમારે ના કહેવાય નહીં. હું તો કશું લેતો નથી. આ લોકો પગે અડાડીને લઈ જાય છે.’ એટલે પાપ-પુણ્યની વાત તો જવા દો. બાકી, આ જે કંઈ કરો છો એ બધી પોતાની જોખમદારી છે. માટે સમજીને કરજો. પછી ગમે તે ચઢાવો, કોણ ના પાડે છે તમને ? પણ ચઢાવતી વખતે ખ્યાલ રાખજો કે હૉલ એન્ડ સૉલ રીસ્પોન્સિબિલિટી આપણી જ છે, બીજાં કોઈની નથી.

(પા.૫૯)

અહિંસા અનુમોદાય, ભાવના-પ્રાર્થનાથી

હવે આ અબોલ પ્રાણીઓની હિંસા ના કરવી જોઈએ, ગૌહત્યા ન કરવી જોઈએ, એવી ભાવના આપણે કેળવવી અને આપણા અભિપ્રાય બીજાને સમજાવવા. જેટલું આપણાથી બને એટલું કરવું. એના માટે કંઈ બીજા જોડે લઢી મરવાની જરૂર નથી. કોઈ કહે કે, ‘અમારા ધર્મમાં કહ્યું છે કે અમારે માંસાહાર કરવો.’ આપણા ધર્મે ના પાડી હોય તેથી કરીને ઝઘડો કરવાની જરૂર નથી. આપણે ભાવના કેળવીને તૈયાર રાખવી એટલે જે ભાવનામાં હશે તે સંસ્કૃતિ ચાલશે.

અને વિશ્વ સમષ્ટિનું કલ્યાણ કરવાની ભાવના એ તો તમને આખો દહાડો રાત-દહાડો રહે છે ને ?! હા, તો એ પ્રમાણે રહેવું જોઈએ.

પ્રશ્નકર્તા : એ બાબતમાં આપણે પ્રાર્થના તો કરી શકીએ ને ?

દાદાશ્રી : હા, હા, પ્રાર્થના કરવાની, એવી ભાવના કરવાની, એની અનુમોદના કરવાની. કો’ક માણસ જો ના સમજતો હોય તો આપણે એને સમજાવવો. બાકી આ હિંસા તો આજથી નથી, એ તો પહેલેથી ચાલુ જ છે. આ જગત એક રંગનું નથી.

હવે મોટા સંત તુલસીદાસ હતાને, તે એમણે કબીરસાહેબની ખ્યાતિ બહુ સાંભળી. મહાન સંત તરીકે ખ્યાતિ ફેલાયેલી એટલે તુલસીદાસે નક્કી કર્યું કે આપણે એમનાં દર્શન કરવાં જવું. એટલે તુલસીદાસ પછી ત્યાંથી દિલ્હી આયા. પછી ત્યાં આગળ કો’કને પૂછયું કે ભઈ, કબીરસાહેબનું ઘર ક્યાં આગળ છે ? ત્યારે કહે, કબીરસાહેબ તો પેલા (વણકર) છે તેની વાત કરો છો ? ત્યારે કહે ‘હા.’ ત્યારે કહે, ‘એ તો પેણે ઝૂંપડી બાંધેલી છે, ત્યાંથી કસાઈવાડમાં રહીને જાવ.’ એટલે તુલસીદાસ બ્રાહ્મણ, ચોખ્ખા માણસ, તે કસાઈવાડમાં પેઠા. આ બાજુ બાંધેલું હોય બકરું, આ બાજુ મરઘું બાંધેલું હોય. તે મુશ્કેલીમાં મૂકાઈ ગયા. તે આ બાજુ આમ જુવે ને પછી આમ થૂંકે. એમ કરતાં કરતાં ત્યાં ગયા. તો મુશ્કેલી ના પડે ! આ તુલસીદાસ પ્રેક્ટીસમાં નહીં લાવેલાં કારણ કે હંમેશાં દરેક વસ્તુ પ્રેક્ટીસમાં લાવવી જોઈએ. તે આ ફસામણ થઈ, તે પછી તુલસીદાસ

(પા.૬૦)

તો ત્યાં જઈને ઘેર બેઠાં. ત્યારે કહે છે કે કબીરસાહેબ તો અંદર રસોડામાં ગયા છે. એક-બે ભક્તો બેઠાં હશે તે એમણે કહ્યું, કે બેસો સાહેબ. તે બેસાડ્યા ચાર પાઈ ઉપર. પછી કબીર સાહેબ આવ્યા. કહે છે આપણે સત્સંગ કરીએ છીએ. પણ પહેલું પેલું મનમાં હતું, તે તુલસીદાસ બોલી ગયા કે, તમે આવડા મોટા સંત, આખા હિન્દુસ્તાનમાં તમારી ખ્યાતિ અને અહીં ખાટકીવાડમાં ક્યાં રહો છો ? એટલે આ તો હાજરજવાબી, એમને દોહો બનાવવો ના પડે. એ બોલે એ જ દોહો. એ બોલી ઉઠ્યા, ‘કબીર કા ઘર બાજાર મેં, ગલકટીયો કે પાસ.’ ગલકટીયો એટલે ગળાં કાપનારો કસાઈની નજીકમાં અમારું ઘર છે. પછી કહે છે, ‘કરેગા સો પાવેગાં, તું કયું હોવે ઉદાસ?’ આ જે કરશે, તે એનું ફળ ભોગવશે. તું શું કરવા ઉદાસ થાય છે તે ?! એટલે તુલસીદાસ સમજી ગયાં કે મારી બધી ભક્તિની ધૂળ કાઢી નાખી, આબરૂ લઈ નાખી.

એવી આબરૂ ના જાય એવું રહેવું જોઈએ. આપણે ભાવના સારી રાખવી. આ કાળથી નહીં, અનાદિકાળથી આવું ને આવું ચાલ્યું જ આવે છે. રામચંદ્રજીનાં નોકર હઉ માંસાહાર કરતા’તા. કારણ કે ક્ષત્રિયો માંસાહાર વગર રહેતાં હશે કે ?

આપણે ભાવના સારી રાખવી. આ હુલ્લડમાં પડવું નહીં, આ ટોળામાં. કારણ કે એ લોકો અણસમજણથી ઝઘડા ઊભાં કરે છે. એથી કશું વળતું નથી અને નુકસાન થાય છે. એનો અર્થ શું છે ? એ ક્યારે ? કે ભઈ, આપણો જ રાજા હોય ત્યારે આણ ફેલાવે કે ‘ભઈ, એય તમારે અમુક દિવસે નહીં કરવું.’ અત્યારે આપણાં હાથમાં સત્તા નહીં અને એવું ડહાપણ કરવાનું કોણે કહ્યું છે ? તમે તમારું કામ કરો ને ! ભગવાનને ઘેર કોઈ મરતું જ નથી. તમે તમારું કામ કરી લો અને અનુમોદના રાખો. કોઈ ખરાબ ભાવ નહીં રાખવાનો.

મોટામાં મોટો અહિંસક કોણ ?

પણ આ જીવો બચાવવા કરતા એક જ વસ્તુ રાખવાની કે કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો. તે મનથી પણ દુઃખ ન હો, વાણીથી પણ દુઃખ ના હો અને વર્તનથી પણ દુઃખ ના હો ! બસ, એના જેવો મોટો અહિંસક કોઈ છે નહીં. આવો ભાવ હોય, આટલી જાગૃતિ હોવા છતાં દેહથી જે જીવડાં

(પા.૬૧)

વટાઈ ગયાં એ ‘વ્યવસ્થિત !’ અને નવી બચાવવાની વાતો કોઈની કરવી નહીં.

અભયદાન, કયા જીવો માટે ?

પ્રશ્નકર્તા : હું તો વાત કરું છું કે ત્યારે દસ વર્ષ પહેલાથી, જીવોને જો અભયદાન મળતું હોય તો કંદમૂળની તરત જ બંધી લઈ લીધી હતી અમે.

દાદાશ્રી : અભયદાન તો, એ જીવ હાલી-ચાલી શકે એવો હોય, એ જીવ ગભરાતો હોય, ભયને સમજતો હોય, તેને અભયદાન આપવાનું છે. ભયથી ત્રાસ થતો હોય, એને અભયદાન આપવાનું છે. બીજા લોકો ભયને સમજતા નથી, એને અભયદાન કેવા હોય ?

અભયદાન એટલે જે જીવો ભય પામી શકે એવા છે, નાની કીડી પણ આપણે હાથ અડાડીએને તો એ ભય પામે. એને અભયદાન આપો. પણ આ ઘઉંનો દાણો, બાજરીનો દાણો એ ભય પામતો નથી. એને શું નિર્ભય બનાવવાના ? ભય સમજતા જ નથી, અભયદાન કેમનું આપવાનું તે ?

પ્રશ્નકર્તા : એકદમ કરેક્ટ વાત છે.

દાદાશ્રી : એટલે આ સમજણ વગરનું બધું ચાલે છે. તે આ ચોપડવાની પી જાય છે. પછી કહેશે, ‘ભગવાન મહાવીરની દવા પી ગયો ને મરી ગયો !’ ‘અલ્યા, મહાવીર ભગવાનને શું કરવા ફજેત કરે છે.’ અત્યારે એ જ વ્યાપાર ચાલુ છે. ચોપડવાની પી જાય ને પછી કહેશે ધર્મ ખોટો છે. મુઆ, ધર્મ તો ખોટો હોતો હશે ? પહેલા ચોપડવાની દવા છે તે પીતો હતો ?

પ્રશ્નકર્તા : પહેલા તો કંઈ ખબર જ ન હતી.

દાદાશ્રી : આ ચોપડવાની કે પીવાની ખબર જ ન હતી ! જે જીવો ભય પામે છે, એને ત્રસકાય જીવો કહ્યા. એટલે આ ભય સંજ્ઞા ઉત્પન્ન થઈ છે એના માટે ભગવાને વાત કરી છે. બીજા માટે તો એવું જ કહ્યું છે કે પાણીને નકામું ઢોળાઢોળ ના કરશો. ન્હાજો, પીજો, ધોજો, કપડાં ધોજો. પણ અનર્થ એટલે તમારે હેતુ ના હોય ને ઢોળાઢોળ ના કરશો.

(પા.૬૨)

અભયદાન એ મહાદાન

પ્રશ્નકર્તા : તો જૈનધર્મમાં અભયદાનને આટલું બધું મહત્વ કેમ આપ્યું ?

દાદાશ્રી : અભયદાનને તો બધા લોકોએ મહત્વ આપ્યું છે. અભયદાન તો મુખ્ય વસ્તુ છે. અભયદાન એટલે શું કે અહીં ચકલાં બેઠાં હોય તો એ ઊડી જશે એમ માનીને આપણે આમ ધીમે રહીને પેલી બાજુથી જતા રહેવું. રાત્રે બાર વાગે આવ્યા હોય અને બે કૂતરાં ઊંઘી ગયા હોય તો આપણા બૂટથી એ ખખડીને જાગી ઉઠશે, એમ માનીને બૂટ પગમાંથી કાઢી લઈ અને ધીમે ધીમે ઘેર આવવું. આપણાથી કોઈ ભડકે, એને માણસાઈ કેમ કહેવાય ? બહાર કૂતરાંય આપણાથી ના ભડકવાં જોઈએ. આપણે આમ પગ ખખડાવતા ખખડાવતા આવ્યા અને કૂતરું કાન આમ કરીને ઊભું થાય તો આપણે સમજી જવું કે ઓહોહો, અભયદાન ચૂક્યો ! અભયદાન એટલે કોઈ પણ જીવ આપણાથી ભય ના પામે. ક્યાંય જોયા અભયદાની પુરુષો ? અભયદાન તો મોટામાં મોટું દાન છે.

હું બાવીસ વર્ષનો હતો ત્યારેય કૂતરાંને નહોતો ભડકવા દેતો. અમે નિરંતર અભયદાન જ આપીએ છીએ, બીજું કશું આપતા નથી. અમારા જેવું અભયદાન આપવાનું જો કોઈ શીખી ગયો તો એનું કલ્યાણ થઈ જાય ! ભયનું દાન આપવાની તો લોકોને પ્રેક્ટિસ પહેલેથી છે, નહીં ? ‘હું તને જોઈ લઈશ’ કહેશે. તો એ અભયદાન કહેવાય કે ભયનું દાન કહેવાય ?

પ્રશ્નકર્તા : તો આ જીવ બચાવીએ છીએ એ અભયદાન નહીં ?

દાદાશ્રી : એ તો બચાવનારને જબરજસ્ત ગુનો છે. એ તો ખાલી અહંકાર કરે છે. ભગવાને તો એટલું જ કહ્યું હતું કે તમે તમારા આત્માની દયા પાળજો. બસ, એટલું જ કહેલું છે આખા શાસ્ત્રમાં કે ભાવદયા પાળજો. બીજી દયા માટે તમને નથી કહ્યું. અને વગર કામના હાથમાં લેશો તો ગુનો થશે.

(પા.૬૩)

એ છે બચાવવાનો અહંકાર

આ તો બધા એમ જ સમજે છે કે આપણે બચાવીએ છીએ તેથી આ જીવડા બચે છે. તે આપણા લોકો તો કેવા છે ? ઘેર માને ગાળો ભાંડતો હોય છે અને બહાર છે તે બચાવવા નીકળ્યો હોય !

આ લોકોને દરિયામાં મોકલવા જોઈએ. મહીં દરિયામાં તો બધું શાકભાજી ને અનાજ બધું ઉગતું હશે, નહીં ? આ માછલાં ખાતા હશે, તે ?! ત્યારે અહીંથી આપણે અનાજ મોકલતા હશે, નહીં ? કેમ ચણા ને એ બધું નાખીને ખવડાવીએ નહીં ? તો શું એમનો ખોરાક ? આવડાં આવડાં નાનાં નાનાં માછલા હોય, તેને આવડાં મોટાં માછલાં ગળ્યા કરે. આવડાં મોટાંને પાછાં એથી આવડાં મોટાં હોય તે ગળ્યા કરે. એમ ગળ્યા જ કરે નિરાંતે. અને માલ પાક્યા જ કરે એક બાજુ ! હવે ત્યાં અક્કલવાળાને બેસાડ્યા હોય તો શી દશા થાય ?

જગતમાં કેવી માન્યતા ચાલી રહી છે ? ‘અમે બચાવીએ છીએ’ કહેશે અને કસાઈ ઉપર દ્વેષ કરે છે. એ કસાઈને આપણે પૂછીએ કે, ‘તું આવો નાલાયક ધંધો કરે છે ?’ ત્યારે એ કહે, ‘કેમ સાહેબ, મારા ધંધાને નાલાયક કહો છો ? મારે તો આ બાપ-દાદાઓની પેઢીઓથી ધંધો ચાલતો આવ્યો છે. અમારી પેઢી છે આ તો.’ એટલે એવું કહે આપણને. એટલે આ એમની પેઢી કહેવાય. આપણે કશું બોલીએ તો એને એમ લાગે કે ‘આ અક્કલ વગરના માણસ કશું સમજતા નથી’.

એટલે જે માંસાહાર ખાય છે તે એવો અહંકાર નથી કરતા કે ‘અમે મારીશું ને આમ કરીશું.’ ‘આ તો અહિંસાવાળા બહુ અહંકાર કરે છે કે, ‘હું બચાવું છું’. અલ્યા, બચાવવાવાળા છો તો ઘેર નેવું વર્ષનાં બાપા છે, મરવાની તૈયારી છે. એમને બચાવને ! પણ એવું કોઈ બચાવે છે ?

પ્રશ્નકર્તા : કોઈ ન બચાવે.

દાદાશ્રી : ત્યારે આવું શું બોલે છે કે મેં બચાવ્યું ને મેં આમ કર્યું ?! કસાઈના હાથમાંય સત્તા નથી. મારવાની સત્તાવાળો કોઈ જન્મ્યો જ નથી. આ

(પા.૬૪)

તો વગર કામનાં ઈગોઈઝમ કરે છે. આ કસાઈ કહે છે કે, ‘ભલભલા જીવ કાપ્યા.’ તે એનો ઈગોઈઝમ કરે છે, એટલે રિયલ શું કહે છે ?! આ મારનારનો મોક્ષ થશે કે આ બચાવનારનો મોક્ષ થશે ? બેઉનોય મોક્ષ નહીં. બેઉ ઈગોઈઝમવાળા છે. આ બચાવવાનો ઈગોઈઝમ કરે છે ને પેલો મારવાનો ઈગોઈઝમ કરે છે. રિયલમાં ના ચાલે, રિલેટિવમાં ચાલે.

એ બન્ને અહંકારી છે

ભગવાન કંઈ કાચી માયા નથી. ભગવાનને ત્યાં તો મોક્ષમાં જવા માટે કાયદો કેવો છે ? એક દારૂ પીવાનો અહંકાર કરે છે ને એક દારૂ ન પીવાનો અહંકાર કરે છે. એ બન્નેને ભગવાન મોક્ષમાં નથી પેસવા દેતા. ત્યાં કેફીને પેસવા દેતા નથી. ત્યાં નિષ્કેફીને પેસવા દે છે.

એટલે જે લોકો દારૂ નથી પીતા ને એની મનમાં ખોટી ઘેમરાજી રાખવી એ તો ભયંકર ગુનો છે. એ તો દારૂ પીનારા કરતાંય ભૂંડું છે. દારૂ પીતો હોય એ તો બિચારો એમ જ કહે કે, ‘સાહેબ, હું તો મૂરખમાં મૂરખ માણસ છું, ગધેડો છું, નાલાયક છું.’ અને બે માટલાં પાણી રેડીએ ને, તોય એનો કેફ ઉતરી જાય. પણ આ લોકોને મોહનો જે દારૂ ચઢેલો છે, તે અનાદિ અવતારથી ઉતરતો જ નથી ને ‘હું કંઈક છું, હું કંઈક છું’ કર્યા કરે છે.

એનો તમને એક દાખલો સમજાવું. એક નાના ગામમાં એક જૈન શેઠ રહેતા હતા. સ્થિતિ સાધારણ હતી. એને એક છોકરો ત્રણ વર્ષનો ને એક દોઢ વર્ષનો. ઓચિંતો પ્લેગ ચાલ્યો ને માબાપ બેઉ મરી ગયા. બેઉ છોકરાં રહ્યા. પછી ગામવાળાએ જાણ્યું, તે બધા ભેગા થયા કે ‘હવે આ છોકરાઓનું શું થાય ? આપણે એનો રસ્તો કાઢો. કોઈ છોકરાનો પાલક નીકળે તો સારું. એક સોની હતો, તેણે મોટો છોકરો લીધો. અને બીજાને કોઈ લેનાર જ નહોતો. એટલે એક નીચલી વર્ણવાળો કહે છે, ‘સાહેબ, હું પાલક બનું.’ ત્યારે લોકો કહે, ‘અલ્યા, આ જૈન શેઠનો છોકરો ને તું નીચલી વર્ણનો.’ પણ બીજા લોક કહે, ‘એ નહીં લે તો ક્યાં મૂકશો ? મરી જાય એના કરતાં જીવશે તો ખરો. તો એ શું ખોટું ?’ એટલે બેઉ ઉછર્યા. પેલો સોનીને ત્યાં ઉછર્યો. એ વીસ-બાવીસ વર્ષનો થયો ત્યારે કહે છે, ‘દારૂ પીવો એ ગુનો છે, માંસાહાર કરવો

(પા.૬૫)

એ ગુનો છે.’ જ્યારે પેલો અઢાર-વીસ વર્ષનો થયો ત્યારે કહે છે, ‘દારૂ પીવો જોઈએ, દારૂ ગાળવો જોઈએ, માંસાહાર કરવો જોઈએ.’ હવે આ બે ભાઈઓ એક ભીંડાના બે દાણા, કેમ આમ જુદું જુદું બોલ્યા ?

પ્રશ્નકર્તા : સંસ્કાર.

દાદાશ્રી : હા, સંસ્કાર, પાણી જુદું જુદું સિંચન થયું ! એટલે પછી કોઈકે કહ્યું કે, ‘આ તો જૈન કહેવાય જ નહીં ને !’ એક સંત હશે, તેમને પૂછયું કે, ‘સાહેબ, આ બે ભાઈઓ હતા ને આવું જુદું જુદું કહે છે. આમાં મોક્ષ કોનો થશે ?’ ત્યારે સંત કહે છે, ‘આમાં મોક્ષની વાત કરવાની રહી જ ક્યાં ? પેલો દારૂ નહીં પીવાનો અહંકાર કરે છે, માંસાહાર નહીં ખાવાનો અહંકાર કરે છે અને આ દારૂ પીવાનો અહંકાર કરે છે, માંસાહાર ખાવાનો અહંકાર કરે છે. આમાં મોક્ષની વાત જ ક્યાં રહી ? મોક્ષની વાત તો જુદી જ છે. ત્યાં તો નિર્અહંકારી ભાવ જોઈશે.’ આ તો બેઉ અહંકારી છે. એક આ ખાડામાં પડ્યો છે, પેલો બીજા ખાડામાં પડ્યો છે. ભગવાન બેઉને અહંકારી કહે છે.

ફક્ત અહિંસાના પૂજારીઓ માટે જ

લોકો જે માને છે એવું ભગવાને નથી કહ્યું. ભગવાન, બહુ ડાહ્યા પુરુષ ! ભગવાને એવું કહ્યું કે આ વર્લ્ડમાં કોઈ એવો છે નહીં કે જે કોઈને મારી શકે. કારણ કે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. શી રીતે મારી શકે ? બધા કેટલાંય સંજોગો ભેગા થાય ત્યારે એ મરી જાય ! અને પછી જોડે જોડે એમેય કહ્યું કે આ બિલકુલ ગુપ્ત રાખવા જેવી વાત છે. ત્યારે કોઈ કહેશે, ‘સાહેબ, આમેય બોલો છો ને આમેય બોલો છો ?’ ત્યારે ભગવાન કહે છે, ‘જુઓ, આ વાત ડાહ્યા માણસો માટે, જે અહિંસાના પુજારીઓ છે એને માટે આ વાક્ય કહીએ છીએ. અને હિંસાના પુજારીઓ છે એને માટે આ નથી કહેતા. નહીં તો એ ભાવના કરશે કે મારે આ લોકોને મારી નાખવા છે. એટલે આ ભવમાં તો એ નથી થવાનું, પણ આ ભાવના કરશે તો આવતા ભવમાં ફળ આવશે.’ એટલે આ વાત કોની પાસે કરવાની છે ? આ અહિંસાના પુજારીઓ પાસે આ વાત કરવાની કહી છે.

(પા.૬૬)

‘આ’ બધાં માટે નથી

ભગવાને કહ્યું છે કે મારવાનો અહંકાર ના કરીશ અને બચાવવાનો અહંકારેય ના કરીશ. તું મારીશ તો તારો આત્મભાવ મરશે, બહાર કોઈ મરવાનું નથી. એટલે એ પોતાની હિંસા થાય છે, બીજું કશું નહીં. આત્મા કંઈ એમ મરતો નથી, પણ આ તો પોતે પોતાની હિંસા કરી રહ્યો છે. એટલા માટે ભગવાને ના કહ્યું છે. અને તું બચાવીશ તે ખોટો અહંકાર કરી રહ્યો છે. તેય તું આત્મભાવની હિંસા જ કરી રહ્યો છે. એટલે આ બન્નેવ ખોટું કરી રહ્યા છે. આ બધું તોફાન છોડ ને ! બાકી કોઈ કોઈને મારી શકે જ નહીં. પણ ભગવાને જો એવું ચોખ્ખું કહ્યું હોત કે મારી શકે જ નહીં, તો લોક અહંકાર કરત કે મેં માર્યો ! આ બધું કોઈનામાં તાકાત નથી. વગર તાકાતનું આ જગત છે. અમથા વગર કામના વિકલ્પો કરીને ભટક ભટક કરે છે. જ્ઞાનીઓએ જોયું છે. આ જગત કેવી રીતે ચાલ્યા કરે છે. એટલે આ બધા ખોટા વિકલ્પો પેસી ગયા છે, ત્યાં પછી નિર્વિકલ્પ કેમ કરીને થાય તે ?

એટલે આ બધા જીવો છે ને, તે કોઈ કોઈને મારી શકે જ નહીં. મારી શકવાની કોઈનામાં શક્તિ જ નથી. છતાંય ભગવાન બોલ્યા કે હિંસા છોડી ને અહિંસામાં આવો. એ શું કહે છે કે મારવાનો અહંકાર છોડો. બીજું કશું છોડવાનું નથી, મારવાનો અહંકાર છોડવાનો છે. તમારાથી માર્યું મરાતું નથી, તો પછી અહંકાર શું કરવા કરો છો વગર કામના ? અહંકાર કરીને વધારે લપેટમાં આવશો, ભયંકર જોખમ વહોરશો. એ જીવને એના નિમિત્તથી મરવા દો ને ! એ મરવાનું જ છે, પણ તમે અહંકાર શું કરવા કરો છો ? એટલે અહંકાર બંધ કરાવવા માટે ભગવાને અહિંસાની પ્રેરણા આપી. મારવાનો જે અહંકાર છે એ છોડાવવા માટે આ બધી વાત કરી.

પ્રશ્નકર્તા : આટલું પચાવવું સાધારણ માણસ માટે વધારે પડતું નોલેજ(જ્ઞાન) ના કહેવાય ?

દાદાશ્રી : ના, એ પચે એવું નથી. એટલે ખુલ્લું નથી કર્યું. બધાને એમ જ કહ્યું કે તમે બચાવો, નહીં તો આ મરી જશે.

(પા.૬૭)

મારવા-બચાવવાનું ગુપ્ત રહસ્ય

હવે ‘આણે જીવ માર્યો, આણે આમ કર્યું, આણે બચાવ્યો’ એ બધું વ્યવહારમાત્ર છે. કરેક્ટ નથી આ. રિયલમાં શું છે ? કોઈ પણ જીવ કોઈ પણ જીવને મારી શકે જ નહીં. એ મારી શકવામાં તો બધાં સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થાય તો જ મરે. એકલો કોઈ માણસ સ્વતંત્ર આમ મારી શકે નહીં. હવે એવિડન્સ ભેગા થાય તો જ મરે અને એવિડન્સ આપણા હાથમાં છે નહીં. એટલે કોઈ પણ જીવ કોઈ જીવને બચાવી શકે જ નહીં. એ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ હોય તો જ બચે, નહીં તો બચે નહીં. આ તો ખાલી બચાવ્યાનો અહંકાર કરે છે. પણ જોડે જોડે એવું કહ્યું કે તું મનમાંથી ભાવ કાઢી નાખ કે મારે મારવો છે. કારણ કે ભાવ એક એવિડન્સ છે. એ બીજા એવિડન્સ ભેગા થાય ને આ એવિડન્સ ભેગો થાય તો કાર્ય થઈ જશે. એટલે એમાંનું ‘વન ઓફ ધી એવિડન્સ’ ‘પોતાનો’ ભાવ છે. તેને લઈને બધાય એવિડન્સનો ‘પોતે’ ઇગોઈઝમ કરે છે.

મરણકાળે જ મરણ

આ તો અમે ઝીણી વાત કહેવા માગીએ છીએ કે કોઈ જીવને એનો મરણકાળ ભેગો થયા સિવાય કોઈથી મારી શકાય નહીં. હમણાં સાત બકરા હોયને, તે પેલો બે વેચેને, તે જેનો મરણકાળ આવ્યો હોય તેને જ વેચે. અલ્યા, સાતમાંથી આ બે તને વહાલા નહોતા ? એય સારા જ છે બીચારા, તો તું એને કેમ આપી દઉં છું ? અને બકરુ યે પેલાની જોડે ખુશી થઈને જાય. કારણ કે મરણકાળ આવ્યો એટલે ! પછી ત્યાં એને કસાઈખાનામાં રંગે કરે ને, તો એ મ્હાલે હઉ. એ જાણે દિવાળી આવી. આવું જગત છે. પણ બધું આ સમજવા જેવું છે.

એટલે એના મરણકાળ વગર બહાર તો કોઈ મરતું નથી. પણ તું મારવાનો ભાવ કરે છે એટલે તને ભાવહિંસા લાગે છે અને એ તારા આત્માની હિંસા થઈ રહી છે. તું તારી જાતની હિંસા કરી રહ્યો છે. બહારનું તો એ મરવાનો હશે ત્યારે મરશે. એનો ટાઈમ આવશે, એનો સંયોગ બાઝશે અને એ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. કેટલા બધા એવિડન્સ ભેગા થાય

(પા.૬૮)

અને એ તો આંખે દેખાય નહીં એવા એવિડન્સ ભેગા થાય ત્યારે એ જીવ મરે. એટલે એને મનમાં એમ લાગે કે ‘મેં મારી નાખ્યો.’ ‘અલ્યા, તારી મારવાની ઇચ્છા તો નથી ને શી રીતે માર્યો તેં ?’ ત્યારે કહેશે, ‘પણ મારો પગ એની પર પડ્યો ને !’ ‘અલ્યા, પગ તારો ? તારા પગને પક્ષાઘાત નહીં થાય ?’ ત્યારે કહે, ‘પક્ષાઘાત તો પગને થાય.’ તો એ પગ તારો ન્હોય. તારી વસ્તુને પક્ષાઘાત ના થાય. તું પગ ઉપર તારી માલિકી કરે છે પણ ખોટી માલિકી છે. કોઈ જ્ઞાની પુરુષને પૂછી તો આવ કે આ મારું છે કે પરભાર્યું છે ? એ પૂછને ! પૂછે તો જ્ઞાની પુરુષ ખબર પાડી આપે કે ભઈ, આ બધું ન્હોય તારું. આ પગેય પરભાર્યો, આ બીજું બધુંય પરભાર્યું અને આ તારું. એમ જ્ઞાની પુરુષ બધી ચોખવટ કરી આપશે. જ્ઞાની પુરુષ પાસે ‘સર્વે’ કરાવી લે. આ તો લોકો પાસે ‘સર્વે’ કરાવે છે. પણ આ સરવૈયાં તો ગાંડા છે. એ તો પરભારી વસ્તુને જ મારી કહે છે. એટલે સાચી ‘સર્વે’ થઈ જ નથી. જ્ઞાની પુરુષ ‘સર્વે’ કરીને જુદુ પાડી આપે ને લાઈન ઓફ ડીમાર્કેશન નાખી આપે કે આ આટલો ભાગ તમારો, આ આટલો ભાગ પરભાર્યો. જે કોઈ દહાડોય આપણો ના થાય, એનું નામ પરભાર્યો કહેવાય. ગમે એટલી માથાકૂટ કરીએ તોય પણ એ આપણો ના થાય.

હવે મરણકાળ કોઈના હાથની વાત નથી. પણ ભગવાને આ ખુલ્લું નથી કરેલું કે આની પાછળ કોઝિઝ છે. કેટલાંક જ્ઞાન ખુલ્લા કરી શકાતાં નથી. આ રીતે વાત ભગવાને જો વિગતવાર કરી હોત તો લોકોને બહુ સમજાત. છતાં તે વાત ભગવાને કરી છે, પણ લોકોને એ સમજમાં નથી. ભગવાને બધો જ ફોડ પાડ્યો છે. પણ તે બધું સૂત્રોમાં છે. તે લાખ સૂત્રો ઓગાળે ત્યારે આટલું ઓગળે. ભગવાન બોલ્યા તે સોનારૂપે નીકળ્યું અને ગૌતમસ્વામીએ બધા સુતર ઉપર ચઢાવ ચઢાવ કર્યું. હવે જ્યારે કોઈ ગૌતમસ્વામી જેવા હોય ત્યારે પાછાં એ સૂત્રોમાંથી સોનું કાઢે. પણ એ ગૌતમસ્વામી જેવા આવે ક્યારે અને સોનું નીકળે ક્યારે અને આપણો શુક્કરવાર વળે ક્યારે ?

‘મારવા નથી’નો નિશ્ચય કરો

હવે કેટલાંય લોકોએ નિશ્ચય કર્યો કે ‘આપણે નામેય હિંસા કરવી નથી.

(પા.૬૯)

કોઈ જીવજંતુને મારવો નથી.’ એવો નિશ્ચય કર્યો હોય તો પછી એનાથી જીવજંતુ કોઈ મરવા નવરું યે ના હોય. એના પગ નીચે આવે તોય બચીને ચાલ્યું જાય. અને ‘મારે જીવો મારવા જ છે’ એવો જેણે નિશ્ચય કર્યો છે ત્યાં મરવાય બધાં તૈયાર છે.

બાકી, ભગવાને કહ્યું છે કે આ જગતમાં કોઈ માણસ કોઈ પણ જીવને મારી શકે જ નહીં. ત્યારે કોઈ કહે, ‘હે ભગવાન, આવું શું બોલો છો ? અમે મારતા બધાને જોઈએ છીએ ને !’ ત્યારે ભગવાન કહે છે, ‘ના, એણે મારવાના ભાવ કર્યા છે અને આ જીવનો મરણકાળ આવી રહ્યો છે. એટલે આનો મરણકાળ આવે ત્યારે પેલાનો સંયોગ ભેગો થાય, મારવાના ભાવવાળાને ભેગો થાય. બાકી મારી શકે તો નહીં જ. પણ મરણકાળ આવે તો મરે છે અને ત્યારે જ પેલો ભેગો થાય. આ વાત બહુ ઝીણી છે. વર્લ્ડ જો સમજ્યું હોયને આજ, તો અજાયબ થઈ જાત !

પ્રશ્નકર્તા : ટ્રેનમાં એક્સિડન્ટ થાય છે ને ટ્રેન નીચે માણસ મરી જાય છે. તો એમાં ટ્રેને ક્યાં નિશ્ચય કર્યો ?

દાદાશ્રી : ટ્રેનને નિશ્ચયની જરૂર જ નથી હોતી. આ જેમનો મરણકાળ ભેગો થાયને, ત્યારે એ કહેશે કે, ‘આપણે ગમે તે રીતે મરીશું.’ તો ‘એ પડેલી યે નથી’ એવા ભાવ હોય તો એને એવું મરણ આવે. એણે જેવા ભાવ કર્યા હોય તેવા ભાવે જ એનો હિસાબ થાય છે. પણ મરણકાળ આવ્યા સિવાય કોઈથી મરે નહીં.

એટલે આમાં ‘સેન્ટન્સ’ કયું સમજવાનું છે ? કે એ જીવનો મરણકાળ ના આવ્યો હોય ત્યાં સુધી કોઈ મારી શકે જ નહીં અને મરણકાળ કોઈના હાથમાં નથી.

નથી ‘મરતો’ કોઈ ભગવાનની ભાષામાં

પ્રશ્નકર્તા : પણ આ જે હિંસા ના કરવી એ દૈવીગુણ છે કે નહીં ? એટલે કે હિંસા કરવી એ ગુનો ખરો કે નહીં ?

દાદાશ્રી : હું તમને ખાનગી વાત ઉઘાડી કરી દઉં ?! આ બધાની

(પા.૭૦)

રૂબરૂમાં, કોઈ દુરૂપયોગ કરે એવો નથી એટલે કહું છું.

આ જગતમાં ભગવાનની દ્રષ્ટિએ કોઈ મરતો જ નથી. ભગવાનની ભાષામાં કોઈ મરતો નથી, લોકભાષામાં મરે છે. આ ભ્રાંતિની ભાષામાં મરે છે. આ ખુલ્લી વાત કહી. કોઈ દહાડોય બોલતો નથી. આજે તમારી રૂબરૂ કહું છું.

ભગવાનના જ્ઞાનમાં જે વર્તતું હોય, તે મારા જ્ઞાનમાં વર્તે છે, તે એ છે કે આ જગતમાં કોઈ જીવતો જ નથી ને કોઈ મર્યો જ નથી. અત્યાર સુધી આ દુનિયા ચાલે છે ત્યારથી કોઈ મર્યો જ નથી. જે મરતું દેખાય છે તે ભ્રાંતિ છે અને જન્મતું દેખાય તેય ભ્રાંતિ છે. આ ભગવાનની ભાષાની ખુલ્લી હકીકત કહી દીધી મેં. હવે તમારે જૂનાને વળગી રહેવું હોય તો વળગી રહેજો અને ન વળગવું હોય તો નવાને વળગજો. આ અમારી વાત સમજાઈ તમને ?

પ્રશ્નકર્તા : વાત સમજાઈ, પણ તમે બહુ મોઘમમાં કહી.

દાદાશ્રી : હા, એટલે ભગવાનની ભાષામાં કોઈ મરતો નથી. હજારો માણસ ત્યાં કપાયા હોય. તે મહાવીર ભગવાન જાણે, તો મહાવીર ભગવાનને કશી અસર થાય નહીં. કારણ કે એ જાણે છે કે કોઈ મરતું જ નથી. આ તો લોકોને માટે મરે છે, ખરેખર મરતું નથી. આ દેખાય છે એ બધી ભ્રાંતિ છે. મને કશું કોઈ દહાડોય મરતું દેખાયું નથી ને ! તમને દેખાય છે, એટલી શંકાઓ તમને થયા કરે છે, કે ‘શું થઈ જશે, શું થઈ જશે ?’ ત્યારે હું કહું કે, ‘ભઈ, કંઈ થશે નહીં. તું મારી આજ્ઞામાં રહેજે.’

એટલે આજે ઝીણી વાત મેં કરી નાખી કે ભગવાનની ભાષામાં કોઈ મરતો નથી. છતાં ભગવાનને લોકોએ કહ્યું કે, ‘ભગવાન, આ જ્ઞાન ખુલ્લું જ કરી દો ને !’ ત્યારે ભગવાન કહે છે, ‘ના, ખુલ્લું કહેવાય એવું નથી. લોકો પછી એમ જ જાણશે કે કોઈ મરતું જ નથી. એટલે એ ગમે તેને ખાઈ જવાના એવાં ભાવ કરશે, ભાવ બગાડશે.’ લોકોના ભાવ બગડે એટલા માટે ભગવાને આ જ્ઞાન ખુલ્લું કર્યું નથી. અજ્ઞાની લોકોને ભાવ બગાડતાં વાર ન લાગે ને ભાવ બગડે એટલે ‘પોતે’ તેવો થઈ જાય. કારણ કે જે છે તે પોતે જ છે, એનો કોઈ ઉપરી જ નથી.

(પા.૭૧)

એટલે જ્યાં સુધી ભ્રાંતિ છે ત્યાં સુધી આવું બોલાય જ નહીં કે ભગવાનની ભાષામાં કોઈ મરતું નથી. આ તો તમે પૂછયું બરોબર ત્યારે મારે ખુલ્લું કરવું પડ્યું. તેમાં આપણા ‘મહાત્માઓ’માં કહેવામાં વાંધો નથી. આ ‘મહાત્માઓ’ દુરુપયોગ કરે એવા નથી. તમે ‘ભગવાનની ભાષામાં કોઈ મરતો નથી’ એવું ત્યાં આગળ બધાને કહી દેશો ?

પ્રશ્નકર્તા : મને કોઈનો ડર નથી. હું તો હિંમતથી કહું.

દાદાશ્રી : ના કહેશો. આ જ્ઞાન ખુલ્લું કરાય એવું નથી. આ ભગવાનની ભાષાનું જ્ઞાન તો જે ‘શુદ્ધાત્મા’ થયો છે તેને જ જાણવા જેવું છે. બીજાને જાણવા જેવું આ જ્ઞાન નથી. બીજા લોકોને માટે આ પોઈઝન છે.

ભારતમાં ભાવહિંસા ભારે

પ્રશ્નકર્તા : અહિંસાનો વ્યાપક પ્રચાર કરવામાં વધુ સમય લાગશે ?

દાદાશ્રી : ઘણો સમય લાગે તોય પ્રચાર પૂરેપૂરો ના થાય. કારણ કે સંસાર એટલે શું ? હિંસાત્મક જ વલણ બધું. એટલે એ તો મેળ ના ખાય. આ તો હિન્દુસ્તાનમાં થોડુ ઘણું અહિંસા પાળવા માટે તૈયાર થાય, બાકી બધા લોકો અહિંસા તો સમજે જ નહીંને !

પ્રશ્નકર્તા : પણ જીવોને બચાવવા એની પાછળ સૂક્ષ્મ અહિંસાનો ભાવ છે ?

દાદાશ્રી : એ બચાવવું એટલે સૂક્ષ્મ નહીં, સ્થૂળ અહિંસા છે. સૂક્ષ્મ તો સમજે નહીં. સૂક્ષ્મ અહિંસા શી રીતે સમજે તે ? આ લોકોને સ્થૂળ જ હજી સમજણ પડતી નથીને, તો સૂક્ષ્મ ક્યારે સમજાય ? અને આ સ્થૂળ અહિંસા તો એમના લોહીમાં પડેલી છેને, તેથી આ નાના પ્રકારના જીવોની અહિંસા સાચવે છે. બાકી, આ બધા લોકો પોતાના ઘરમાં આખો દહાડો હિંસા જ કર્યા કરે છે, બધાંય, અપવાદ સિવાય !

પ્રશ્નકર્તા : આ વેસ્ટર્ન કંટ્રિઝમાં પણ નિરંતર હિંસા જ કર્યા કરે છે. ખાવામાં-પીવામાં, દરેક કાર્યમાં. ઘરમાં પણ હિંસા. માખો મારવી, મચ્છર

(પા.૭૨)

મારવા, બહાર લોનમાં પણ હિંસા, દવાઓ છાંટવી, જંતુઓ મારી નાખવા, બાગ-બગીચામાં પણ હિંસા, તો એ લોકો કઈ રીતે છૂટે ?

દાદાશ્રી : બળ્યું, એમની હિંસા કરતાં આ હિન્દુસ્તાનનાં લોકો વધારે હિંસા કરે છે. પેલી હિંસા કરતાં આ હિંસા બહુ ખરાબ. આખો દહાડો આત્માની જ હિંસા કરે છે. ભાવહિંસા કહેવાય છે એને.

પ્રશ્નકર્તા : આ લોકો તો પોતાના આત્માની જ હિંસા કરે છે, પણ પેલા લોકો તો બીજાના આત્માની હિંસા કરે છે.

દાદાશ્રી : ના. આ લોકો તો બધાના આત્માની હિંસા કરે છે. જે જે ભેગો થાય એ બધાની હિંસા કરે છે. ધંધો જ આમનો ઊંધો છે. તેથી તો પેલા લોકો સુખી છે ને ! બીજું, આવું જેને ને તેને દુઃખ દેવાના વિચાર જ નહીં અને ‘આઈ વીલ હેલ્પ યુ, આઈ વીલ હેલ્પ યુ’ કર્યા કરે અને આપણા અહીં તો ઘાટમાં આવે, ‘મને કામ લાગે’ તો હેલ્પ કરે, નહીં તો ના કરે. પહેલો હિસાબ કાઢી જુએ કે મને કામ લાગશે ! એવો હિસાબ કાઢે કે ના કાઢે ?

એટલે ભગવાને ભાવહિંસાને બહુ મોટી હિંસા કહી છે અને તે બધું આખું હિન્દુસ્તાન ભાવહિંસા કરી રહ્યું છે.

પ્રશ્નકર્તા : પણ અહીં તો અહિંસા ઉપર વધારેમાં વધારે ભાર મૂકે છે.

દાદાશ્રી : છતાં વધારેમાં વધારે હિંસા અહીંના લોકોની છે. કારણ કે આખો દહાડો કકળાટ, કકળાટ ને કકળાટ જ કર્યા કરે. એનું શું કારણ ? કે અહીંના લોકો વધારે જાગૃત છે. છતાંય આજના છોકરાઓ જે ઊંધે રસ્તે ચઢી ગયા છે, એમને આવી ભાવહિંસા બહુ નથી બિચારાને ! કારણ કે એ માંસાહાર કરે ને એ બધું કરે એટલે જડ જેવા થઈ ગયા છે. એટલે જડમાં ભાવહિંસા બહુ ના હોય. બાકી, વધારે જાગૃત હોય ત્યાં નરી ભાવહિંસા હોય. એટલે આખો દહાડો કકળાટ, કકળાટ.... પ્યાલા ફૂટ્યા તોય કકળાટ ! કશું થયું તોય કકળાટ !

ભાવ સ્વતંત્ર, દ્રવ્ય પરતંત્ર

પ્રશ્નકર્તા : છતાં આમને ગમે તેમ પણ અહિંસા તો થઈ જ ને !

(પા.૭૩)

દાદાશ્રી : ભાવ છે તે સ્વતંત્ર હિંસા છે અને દ્રવ્ય છે તે પરતંત્ર હિંસા છે. એ પોતાના કાબુની નથી. એટલે આ પરતંત્ર અહિંસા પાળે છે. આજ એમનો એ પુરુષાર્થ નથી.

એટલે આ જે અહિંસા છે એ સ્થૂળ જીવો માટેની અહિંસા છે પણ એ ખોટી નથી. જ્યારે ભગવાને શું કહેલું છે કે આ અહિંસા તમે બહાર પાળો, એ સંપૂર્ણ અહિંસા પાળો, સૂક્ષ્મ જીવો કે સ્થૂળ જીવો, બધા માટેની અહિંસા પાળો. પણ તમારા આત્માની ભાવહિંસા ના થાય એ પહેલું જુઓ. આ તો નિરંતર ભાવહિંસા જ થઈ રહી છે. હવે આ ભાવહિંસા લોકો મોઢે બોલે છે ખરાં, પણ એ ભાવહિંસા કોને કહેવાય, એ સમજવું જોઈશે ને ? મારી પાસે વાતચીત થાય તો હું સમજાવું.

ભાવહિંસાનો બીજાને ફોટો પડે નહીં અને સિનેમાની પેઠે, સિનેમા ચાલે છે ને, તે આપણે જોઈએ છીએ, એવી દેખાય એ બધી દ્રવ્યહિંસા છે. ભાવહિંસામાં આવું સૂક્ષ્મ વર્તે અને દ્રવ્યહિંસા તો દેખાય, પ્રત્યક્ષ, મન-વચન-કાયાથી જે જગતમાં દેખાય છે, એ દ્રવ્યહિંસા છે.

બચો ભાવહિંસાથી પ્રથમ

એટલે ભગવાને અહિંસા જુદી જાતની કહી કે ફર્સ્ટ અહિંસા કઈ ? આત્મઘાત ના થાય. પહેલું અંદરથી ભાવહિંસા ના થાય એ જોવાનું કહ્યું છે. તેને બદલે ક્યાંનું ક્યાંય ચાલી ગયું. આ તો ભાવહિંસા બધી થયા જ કરે છે, નિરંતર ભાવહિંસા થયા કરે છે. એટલે શરૂઆતમાં ભાવહિંસા બંધ કરવાની છે અને દ્રવ્યહિંસા તો કોઈના હાથમાં જ નથી. છતાં એવું બોલાય નહીં. એવું બોલશો તો જોખમ આવશે. બહાર જાહેરમાં બોલાય નહીં. સમજુ માણસને જ કહેવાય. તેથી વીતરાગોએ બધુંય ખુલ્લું ના કર્યું. બાકી દ્રવ્યહિંસા કોઈના હાથમાં જ નથી, કોઈ જીવના તાબામાં છે જ નહીં. પણ જો એવું કહેવામાં આવે ને, તો લોક આવતો ભવ બગાડશે. કારણ કે ભાવ કર્યા વગર રહે નહીં ને ! કે ‘આવું હાથમાં છે જ નહીં, હવે તો મારવામાં દોષ જ નહીં ને !’ એ ભાવહિંસા જ બંધ કરવાની છે. એટલે વીતરાગો કેટલા ડાહ્યા ! અક્ષરેય આમાં લખ્યો છે એ ? જુઓ, આટલુંય લીકેજ થવા દીધું ! કેવા તીર્થંકરો ડાહ્યા પુરુષ હતા, જ્યાં

(પા.૭૪)

પગ મૂકે ત્યાં તીર્થ !

છતાં દ્રવ્યહિંસા બંધ કરે તો જ ભાવહિંસા સચવાય એવું છે પાછું. તો પણ ભાવહિંસાની મુખ્ય કિંમત છે. એટલે જીવોની ‘હિંસા-ના હિંસા’માં ભગવાને પડવાનું નથી કહ્યું આવું. ભગવાન કહે છે, તું ભાવહિંસા ના કરીશ. પછી તું અહિંસક ઠરીશ. આટલો શબ્દ ભગવાને કહ્યો છે.

આમ થાય ભાવ અહિંસા

એટલે મોટામાં મોટી હિંસા ભગવાને કઈ કહી ? કે ‘આ માણસે કોઈ જીવને મારી નાખ્યા, તેને અમે હિંસા નથી કહેતા. પણ આ માણસે જીવને મારવાનો ભાવ કર્યો, માટે એને અમે હિંસા કહીએ છીએ.’ બોલો, હવે લોકો શું સમજે ? કે ‘આણે જીવને મારી નાખ્યા, માટે આને જ પકડો.’ ત્યારે કોઈ કહેશે, ‘આણે જીવને માર્યા તો નથી ને ?’ માર્યા ના હોય તેનોય વાંધો નથી. પણ ભાવ કર્યો ને એણે, કે જીવ મારવા જોઈએ. માટે એ જ ગુનેગાર છે. અને જીવને તો ‘વ્યવસ્થિત’ મારે છે. પેલો તો ખાલી અહંકાર કરે છે કે ‘મેં માર્યું.’ અને આ ભાવ કરે છે એ તો જાતે મારે છે.

તમે કહો કે જીવોને બચાવવા જેવા છે. પછી બચે કે ના બચે, તેના જોખમદાર તમે નહીં. તમે કહો કે, આ જીવોને બચાવવા જેવા છે, તમારે એટલું જ કરવાનું. પછી હિંસા થઈ ગઈ, તેના જોખમદાર તમે નહીં ! હિંસા થઈ એનો પસ્તાવો, એનું પ્રતિક્રમણ કરવાનું એટલે જોખમદારી બધી તૂટી ગઈ.

હવે આવી બધી ઝીણી વાતો શી રીતે મનુષ્યોને સમજાય ? એનું ગજું શું ? દર્શન ક્યાંથી એટલું બધું લાવે ? આ મારી વાતો બધી ત્યાં એ લઈ જાય તો ઊંધું બાફે પછી. પબ્લિકમાં આવું અમે ના કહીએ. પબ્લિકમાં કહેવાય નહીં ને ! તમને સમજાય છે ?

ભાવઅહિંસા એટલે મારે કોઈ પણ જીવને મારવો છે એવો ભાવ કયારેય પણ ના થવો જોઈએ ને કોઈ પણ જીવને મારે દુઃખ દેવું છે એવો ભાવ ઉત્પન્ન ના થવો જોઈએ. મન-વચન-કાયાથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો એવી

(પા.૭૫)

ભાવના જ ખાલી કરવાની છે, ક્રિયા નહીં. ભાવના જ કરવાની છે. ક્રિયામાં તો તું શી રીતે બચાવવાનો ? નર્યા શ્વાસોશ્વાસે લાખો જીવ મરી જાય છે અને અહીં જીવોનાં ઝોલાં અથડાય છે, તે અથડામણથી જ મરી જાય છે. કારણ કે આપણે તો એમને માટે મોટા પથરા જેવા દેખાઈએ. એને એમ કે આ પથરો અથડાયો.

મોટામાં મોટી આત્મહિંસા, કષાય

જ્યાં ક્રોધ-માન-માયા-લોભ છે એ આત્મહિંસા છે અને પેલી જીવડાંની હિંસા છે. ભાવહિંસાનો અર્થ શો ? તારી જાતની જે હિંસા થાય છે, આ ક્રોધ-માન-માયા-લોભ એ તારી જાતને બંધન કરાવડાવે છે, તે જાતની દયા ખા. પહેલી પોતાની ભાવઅહિંસા અને પછી બીજાની ભાવઅહિંસા કહી છે.

આ નાની જીવાતોને મારવી એ દ્રવ્યહિંસા કહેવાય અને કોઈને માનસિક દુઃખ આપવું, કોઈના પર ક્રોધ કરવો, ગુસ્સે થવું, એ બધું હિંસકભાવ કહેવાય, ભાવહિંસા કહેવાય. લોક ગમે એટલી અહિંસા પાળે, પણ અહિંસા કંઈ એવી સહેલી નથી કે જલદી પળાય. અને ખરી દરઅસલ હિંસા જ આ ક્રોધ-માન-માયા-લોભ છે. આ તો જીવડા માર્યા, પાડા માર્યા, ભેંસો મારી, એ તો જાણે કે દ્રવ્યહિંસા છે. એ તો કુદરતના લખેલા પ્રમાણે જ ચાલ્યા કરે છે. આમાં કોઈનું ચાલે એવું નથી.

એટલે ભગવાને તો શું કહ્યું હતું કે પહેલું, પોતાના કષાય ન થાય એવું કરજે. કારણ કે આ કષાય એ મોટામાં મોટી હિંસા છે. એ આત્મહિંસા કહેવાય છે, ભાવહિંસા કહેવાય છે. દ્રવ્યહિંસા થઈ જાય તો ભલે થાય, પણ ભાવહિંસા ના થવા દઈશ. તો આ લોકો દ્રવ્યહિંસા અટકાવે છે પણ ભાવહિંસા ચાલુ રહે છે.

માટે કોઈએ નક્કી કર્યું હોય કે ‘મારે નથી જ મારવા’, તો એને ભાગે કોઈ મરવા નહીં આવે. હવે આમ પાછું એણે સ્થૂળહિંસા બંધ કરી કે આપણે કોઈ જીવને મારવો નહીં. પણ બુદ્ધિથી મારવા એવું નક્કી કર્યું હોય તો તો પાછું એનું બજાર ખુલ્લું હોય. તે ત્યાં આવીને ‘ફુદાં’ અથડાયા કરે અને એય

(પા.૭૬)

હિંસા જ છે ને !

માટે કોઈ જીવને ત્રાસ ના થાય, કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય, કોઈ જીવની સહેજ પણ હિંસા થાય, એ ન હોવું જોઈએ. અને કોઈ મનુષ્યને માટે એક સહેજ પણ ખરાબ અભિપ્રાય ના હોવો જોઈએ. દુશ્મનને માટેય અભિપ્રાય બદલાયો તો એ મોટામાં મોટી હિંસા છે. એક બકરુ મારો તેના કરતાં આ મોટી હિંસા છે. ઘરનાં માણસ જોડે ચિઢાવું, એ બકરુ મારો તેના કરતાં આ વધારે હિંસા છે. કારણ કે ચિઢાવું એ આત્મઘાત છે. ને બકરાનું મરવું એ જુદી વસ્તુ છે.

અને માણસોની નિંદા કરવીને એય માર્યા બરોબર છે. માટે નિંદામાં તો પડવું જ નહીં. બિલકુલેય માણસની નિંદા કોઈ દા’ડો કરવી નહીં. એ હિંસા જ છે.

પછી જ્યાં પક્ષપાત છે ત્યાં હિંસા છે. પક્ષપાત એટલે કે અમે જુદા ને તમે જુદા, ત્યાં હિંસા છે. આમ અહિંસાનો બિલ્લો ધરાવે છે કે અમે અહિંસક પ્રજા છીએ. અમે અહિંસામાં જ માનવાવાળા છીએ. પણ ભઈ, આ પહેલી હિંસા તે પક્ષપાત. જો આટલો શબ્દ સમજે તોય બહુ થઈ ગયું. એટલે વીતરાગોની વાત સમજવાની જરૂર છે.

નિજનું ભાવમરણ ક્ષણે ક્ષણે

આખા જગતનાં લોકોને રૌદ્રધ્યાન ને આર્તધ્યાન તો એની મેળે થયા જ કરે. એના માટે કશું કરવાનું જ નહીં. એટલે આ જગતમાં મોટામાં મોટી હિંસા કઈ ? આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ! કારણ કે એ આત્મહિંસા કહેવાય છે. પેલી જીવડાંની હિંસા એ પુદ્ગલહિંસા કહેવાય છે ને આ આત્મહિંસા કહેવાય છે. તો કઈ હિંસા સારી ?

પ્રશ્નકર્તા : હિંસા તો એકેય સારી નહીં. પણ આત્મહિંસા એ મોટી કહેવાય.

દાદાશ્રી : તે આ લોક બધા પુદ્ગલહિંસા તો બહુ પાળે છે. પણ આત્મહિંસા તો થયા જ કરે છે. આત્મહિંસાને શાસ્ત્રકારોએ ભાવહિંસા લખી

(પા.૭૭)

છે. હવે ભાવહિંસા આ જ્ઞાન પછી તમને બંધ થાય છે. તો અંદર કેવી શાંતિ રહે છે ને !

પ્રશ્નકર્તા : કૃપાળુદેવે આ ભાવહિંસાને ભાવમરણ કીધું છે ને ? કૃપાળુદેવનું વાક્ય છે ને, ‘ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહ્યો.’ એમાં સમય સમયનું ભાવમરણ હોય ?

દાદાશ્રી : હા, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણ એટલે શું કહેવા માગે છે ? જો કે ક્ષણે ક્ષણે ભાવમરણ નથી થતું, સમયે સમયે ભયંકર ભાવમરણ થાય છે. પણ આ તો જાડું લખેલું છે. બાકી સમયે સમયે ભાવમરણ જ થઈ રહ્યું છે. ભાવમરણ એટલે શું ? કે ‘હું ચંદુલાલ છું’ એ જ ભાવમરણ છે. જે અવસ્થા ઉત્પન્ન થઈ, તે અવસ્થા ‘મને’ થઈ એમ માનવું એટલે ભાવમરણ થયું. આ બધા લોકોની રમણતા ભાવમરણમાં છે કે ‘આ સામાયિક મેં કર્યું, આ મેં કર્યું.’

પ્રશ્નકર્તા : તો પછી ભાવ સજીવન કેવી રીતના થઈ શકે ?

દાદાશ્રી : એવું ભાવ સજીવન નથી. ભાવનું મરણ થઈ ગયું. ભાવમરણ એને નિંદ્રા કહેવાય. ભાવનિદ્રા અને ભાવમરણ એ બે એક જ છે. આ ‘અક્રમ વિજ્ઞાન’માં ભાવ વસ્તુ જ નથી રાખતા એટલે પછી ભાવમરણ હોતું નથી અને ક્રમિકમાં તો ક્ષણે ક્ષણે ભાવમરણમાં જ બધાં હોય. કૃપાળુદેવ તો જ્ઞાની પુરુષને, એટલે એમને એકલાને જ સમજાય. એમને એમ લાગે કે, ‘આ તો ભાવમરણ થયું. આ ભાવમરણ થયું.’ એટલે પોતે નિરંતર ચેતતા રહેતા હોય. બીજા લોકો તો ભાવમરણમાં જ ચાલ્યા કરે છે.

ભાવમરણનો અર્થ શો ? કે સ્વભાવનું મરણ થયું અને વિભાવનો જન્મ થયો. અવસ્થામાં ‘હું’ એ વિભાવનો જન્મ થયો અને ‘આપણે’ અવસ્થાને જોઈએ એટલે સ્વભાવનો જન્મ થયો.

એટલે આ પુદ્ગલહિંસા હશેને, તો એનો કંઈક ઉકેલ આવશે. પણ આત્મહિંસાવાળાનો ઉકેલ નહીં આવે. આવું ઝીણવટથી લોક સમજણ નથી પાડતા ને ! તે જાડુ કાંતી આપે !

(પા.૭૮)

અહિંસાથી વધી બુદ્ધિ

એવું છે, આર્તધ્યાન ને રૌદ્રધ્યાન તો મુસલમાનોને થાય, ક્રિશ્ચિયનોને થાય, બધાને થાય ને આપણા લોકોનેય થાય, એમાં ફેર શો ? ડીફરન્સ શો ? ઉલ્ટું આપણા લોકોને વધારે થાય. કારણ કે જીવહિંસામાં જરાક મર્યાદા રાખી છે. અહિંસા ધર્મ પાળે છે એ બદલ વધારે થાય છે. કારણ કે એનું મગજ બહુ તોર હોય, બુદ્ધિશાળી હોય. અને જેમ બુદ્ધિ વધારે એમ દુષમકાળમાં ભયંકર પાપો બાંધે. અને વધારે બુદ્ધિશાળી ઓછી બુદ્ધિવાળાને મારે હઉ.

ફોરેનવાળા ને મુસ્લિમો, કોઈ બુદ્ધિથી મારે નહીં. આપણા હિન્દુસ્તાનના લોકો તો બુદ્ધિથી મારે છે. બુદ્ધિથી મારવાનું તો કોઈ કાળમાં હતું જ નહીં. આ કાળમાં જ નવું લફરું ઊભું થયું આ. પણ બુદ્ધિ હોય તો મારે ને ?! ત્યારે બુદ્ધિ કોને હોય ? એક તો આ જીવોની જે ઘાત ના કરતાં હોય, અહિંસક ધર્મ પાળતા હોય, છ કાયની હિંસા ના કરતા હોય, એમને બુદ્ધિ વધે. પછી કોઈક કંદમૂળ ના ખાતા હોય, તેમને બુદ્ધિ વધે. તીર્થંકરની મૂર્તિના દર્શન કરે, તેમને બુદ્ધિ વધે. અને આ બુદ્ધિ વધી, તેનો શો લાભ થયો ?

પ્રશ્નકર્તા : આ લોકોને તમે અન્યાય કરો છો.

દાદાશ્રી : અન્યાય નથી કરતો. વધુ બુદ્ધિશાળી છે માટે એમને નુકસાન થશે, એવું મેં પુસ્તકમાં લખ્યું છે. જેમ છે એમ ના કહીએ તો વધારે ઊંધે રસ્તે ચાલશે. બુદ્ધિથી મારવા એ ભયંકર ગુનો છે. તો બુદ્ધિ વધી તેનો આવો દુરુપયોગ કરવાનો છે ? ને જાગૃતિ ઓછી હોય એ બિચારા મંદકષાયી હોય છે.

અહિંસાનો ધર્મ પાળે છે, જન્મજાતથી જ નાના જીવોને નહીં મારવું એવું એની બિલિફમાં છે, એના દર્શનમાં છે, એ વધારે તીક્ષ્ણ બુદ્ધિવાળા હોય.

પ્રશ્નકર્તા : જન્મથી જ અહિંસા પાળે છે એટલે એટલા વધારે મૃદુ કહેવાય ને ?

દાદાશ્રી : મૃદુ ના કહેવાય. અહિંસા પાળવાનું ફળ આવ્યું. તેનું ફળ બુદ્ધિ

(પા.૭૯)

વધી ને બુદ્ધિથી લોકોને મારામાર કર્યા છે, બુદ્ધિથી ગોળીઓ મારી. એમ ને એમ ખૂન કરી નાખે તો એક અવતારનું મરણ થયું, પણ આ તો બુદ્ધિથી ગોળી મારવામાં અનંત અવતારનું મરણ થશે.

મોટી હિંસા, લડાઈની કે કષાયની ?

પહેલાના જમાનામાં ગામના શેઠ હોય, તે વધારે બુદ્ધિવાળા હોય ને ! ગામમાં બે જણને ઝઘડો હોય તો શેઠ એમનો લાભ લેતા નથી ને બેઉને પોતાને ઘેર બોલાવે અને બંનેના ઝઘડાનો નિકાલ કરી આપે ને પાછાં પોતાને ઘેર જમાડે. કઈ રીતે નિકાલ કરે ? કે બેમાંથી એક જણ કહે કે, ‘સાહેબ, મારી પાસે બસો રૂપિયા છે નહીં, તો હમણે શી રીતે આપીશ ?’ ત્યારે શેઠ શું કહે કે, ‘તારી પાસે કેટલા છે ?’ ત્યારે પેલો કહે, ‘પચાસેક છે.’ તો શેઠ શું કહે કે, ‘તો દોઢસો લઈ જજે.’ અને ઝઘડાનો નિકાલ લાવે. અને અત્યારે તો હાથમાં આવેલું ચકલું ખઈ જાય !

આ હું કોઈને આક્ષેપ નથી કરતો. હું આખા જગતને નિરંતર નિર્દોષ જ જોઉં છું. આ બધી વ્યવહારિક વાતો ચાલે છે. મને ગાળો દે, માર મારે, ધોલો મારે, ગમે તે કરે, પણ હું આખા જગતને નિર્દોષ જ જોઉં છું. આ તો વ્યવહાર કહું છું. વ્યવહારમાં જો ન સમજે તો આનો ઉકેલ ક્યારે આવશે ? અને જ્ઞાની પુરુષ પાસે સમજ્યા વગરનું કામ નહીં લાગે. બાકી, મારે કોઈની જોડે ભાંજગડ નથી.

પ્રશ્નકર્તા : આટલું નાનું છોકરું પણ આપણે અહીં અહિંસા પાળતું હોય છે, એ એના પૂર્વના સંસ્કાર છે ને ?

દાદાશ્રી : હા, તેથી જ સ્તો ને ! સંસ્કાર વગર તો આવું મળે જ નહીં ને ! પૂર્વજન્મના સંસ્કાર અને પુણ્યૈના આધારે એ મળ્યું, પણ હવે દુરુપયોગ કરવાથી કયાં જશે એ કંઈ જાણો છો ?! હવે ક્યાં જવાનું છે એ સર્ટિફિકેટ છે કોઈ જાતનું ?

પ્રશ્નકર્તા : એ તો અહિંસા જ પાળે છે. એનો દુરુપયોગ ક્યાં કરે છે ?

દાદાશ્રી : આને અહિંસા કહેવાય જ કેમ ? મનુષ્યો જોડે કષાયો કરવા

(પા.૮૦)

એના જેવી મોટામાં મોટી હિંસા આ જગતમાં કોઈ નથી. એવો એક ખોળી લાવો કે જે ના કરતો હોય, ઘરમાં કષાય ના કરે, હિંસાઓ ના કરે એવો. આખો દહાડો કષાયો કરવા ને પછી અમે અહિંસક છીએ એમ કહેવડાવવું એ ભયંકર ગુનો છે. એના કરતાં ફોરેનવાળાઓને એટલા કષાયો નથી હોતા. કષાયો તો જાગૃતિ વધારેવાળો જ કરે ને ! તમને એવું સમજાય કે જાગૃતિ વધારેવાળો કરે કે ઓછી જાગૃતિવાળો કરે ? તમને નથી લાગતું કષાય એ ભયંકર ગુનો છે ?

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : હા, તો એના જેવી હિંસા કોઈ નથી. કષાય એ જ હિંસા છે અને આ અહિંસા એ તો જન્મજાત અહિંસા છે, પૂર્વે ભાવના ભાવેલી છે ખાલી અને આજ ઉદયમાં આવી. એટલે ક્રોધ-માન-માયા-લોભ એ હિંસા અટકે તો હિંસા અટકી જાય.

પ્રશ્નકર્તા : એ બરોબર છે. એ સમજાયું. શાસ્ત્રમાંય એમ કહ્યું છે. ચક્રવર્તી રાજાઓ આટલી બધી લડાઈઓ લડે છે, હિંસા કરે છે, છતાં એને અનંતાનુબંધી કષાય લાગતા નથી. પણ કુગુરુ, કુધર્મ અને કુસાધુમાં માને છે એ લોકોને જ અનંતાનુબંધી કષાય બંધાય છે.

દાદાશ્રી : બસ, એના જેવી અનંતાનુબંધી બીજી નથી ! આ તો ખુલ્લું કહ્યું છે ને !

બુદ્ધિથી મારે એ હાર્ડ રૌદ્રધ્યાન

પ્રશ્નકર્તા : પણ આમાં બધા કર્મના ભેદ છે કે નહીં ?

દાદાશ્રી : પણ આ ના સમજાય ? એ નાના છોકરાને સમજાય એવું છે. આપણે ફાનસ લઈને જતા હોય અને પેલાને કોડિયું હોય, એને બિચારાને અંધારામાં ના દેખાતું હોય, તો આપણે કહીએને કે ઊભા રહો કાકા, હું આવું છું, ફાનસ ધરું છું. ફાનસ ધરીએ કે ના ધરીએ ? ત્યારે બુદ્ધિ એ લાઈટ છે. તે જેને ઓછી બુદ્ધિ હોય એને આપણે કહીએ કે, ‘ભઈ, આમ નહીં, નહીં તો છેતરાઈ જશો. અને તમે આ રીતે લેજો.’ પણ આ તો તરત શિકાર જ

(પા.૮૧)

કરી નાખે. હાથમાં આવવો જોઈએ કે તરત શિકાર ! એટલા માટે મેં ભારે શબ્દો લખ્યા કે હાર્ડ રૌદ્રધ્યાન ! ચાર આરામાં ક્યારેય થયું નથી એવું આ પાંચમા આરામાં થયું છે. બુદ્ધિનો દુરુપયોગ કરવા માંડ્યો છે.

અને આ વેપારીઓ જે છે તે વધારે બુદ્ધિવાળા ઓછી બુદ્ધિવાળાને મારામાર કરે છે. વધારે બુદ્ધિવાળો તો, ઓછી બુદ્ધિવાળો ઘરાક આવેને તો એની પાસે પડાવી લે. ઓછી બુદ્ધિવાળા પાસે કંઈ પણ પડાવી લેવું, ભગવાને એને રૌદ્રધ્યાન કહ્યું છે ને એનું ફળ જબરજસ્ત નર્ક કહ્યું છે. એ બુદ્ધિનો દુરુપયોગ કરાય નહીં.

બુદ્ધિ એ તો લાઈટ છે. તે લાઈટ એટલે અંધારામાં જતાં હોય, એને લાઈટ ધરવાના યે પૈસા માગો છો તમે ? અંધારામાં કોઈ માણસની પાસે ફાનસ નાનું અમથું હોય તો આપણે લાઈટ ના ધરવું જોઈએ એને બિચારાને ? બુદ્ધિથી લોકોએ દુરુપયોગ કર્યો એ હાર્ડ રૌદ્રધ્યાન, નર્કમાં જતાં યે છૂટાશે નહીં. હાર્ડ રૌદ્રધ્યાન કોઈ કાળે થયું નથી એવું આ પાંચમા આરામાં ચાલ્યું છે. બુદ્ધિથી મારે ખરાં ? તમે જાણો છો ?

એ બુદ્ધિથી મારેને એ ભયંકર ગુનો છે. જો આ હજુ પણ છોડી દેશેને અને અત્યાર સુધીનો પસ્તાવો લે અને હવે નવેસરથી ન કરે તો હજુ સારું છે. નહીં તો આનું કંઈ ઠેકાણું નથી. એ બેજવાબદારી છે.

આટલું કરો, ને અહિંસક બનો

આપણે મનમાં હિંસકભાવ નહીં રાખવો. ‘મારે કોઈની હિંસા કરવી નથી’ એવો ભાવ જ સજ્જડ રાખવો અને સવારના પહોરમાં બોલવું જોઈએ કે, ‘મન-વચન-કાયાથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો.’ એવો ભાવ બોલી અને પછી સંસારી ક્રિયા ચાલુ કરજો, એટલે જવાબદારી ઓછી થઈ જાય. પછી આપણા પગે કોઈ જીવ વટાઈ ગયું તોય તમે જોખમદાર નથી. કારણ કે આજે તમારો ભાવ નથી એવો. તમારી ક્રિયા ભગવાન જોતાં નથી, તમારો ભાવ જુએ છે. કુદરતને ચોપડે તો તમારો ભાવ જુએ છે અને અહીંની સરકાર અહીંના લોકોના ચોપડે તમારી ક્રિયા જુએ છે. લોકોનો ચોપડો તો અહીં ને

(પા.૮૨)

અહીં જ પડી રહેવાનો છે. કુદરતનો ચોપડો ત્યાં કામ લાગશે. માટે તમારો ભાવ ક્યાં છે તે તપાસ કરો.

એટલે સવારના પહોરમાં એવું પાંચ વખત બોલીને નીકળ્યો એ અહિંસક જ છે. ગમે ત્યાં પછી લપઝપ કરી આવ્યો તોય એ અહિંસક છે. કારણ કે ઘેરથી નીકળ્યો ત્યારે નિશ્ચય કરીને નીકળ્યો હતો અને પછી ઘેર જઈને પાછું તાળું વાસી દેવું. ઘેર જઈને એવું કહેવું કે આખા દહાડામાં નિશ્ચય કરીને નીકળ્યો છતાં જે કંઈ કોઈને દુઃખ થયું હોય તેની ક્ષમાયાચના કરી લઉં છું. બસ થઈ રહ્યું. પછી તમારે જોખમદારી જ નહીં ને !

કોઈ જીવની હિંસા કરવી નથી, કરાવવી નથી કે કર્તા પ્રત્યે અનુમોદવી નથી અને મારા મન-વચન-કાયાથી કોઈ જીવને દુઃખ ન હો. એટલી ભાવના રહી કે તમે અહિંસક થઈ ગયા ! એ અહિંસા મહાવ્રત પૂરું થઈ ગયું કહેવાય. મનમાં ભાવના નક્કી કરી, નક્કી એટલે ડિસીઝન. એટલે આપણે જે નક્કી કરીએ ને તેને કમ્પ્લિટ સિન્સિયર રહ્યા, એની એ જ વાતને વળગી રહ્યા તો મહાવ્રત કહેવાય અને નક્કી કર્યું પણ વળગી ના રહ્યા, તો અણુવ્રત કહેવાય.

ચેતો, છે વિષયમાં હિંસા

ભગવાન જો કદી વિષયની હિંસાનું વર્ણન કરે તો માણસ મરી જાય. લોક જાણે કે આમાં શું હિંસા છે ? આપણે કોઈને વઢતા નથી. પણ ભગવાનની દ્રષ્ટિએ જુએ તો હિંસા ને આસક્તિ બે ભેગાં થાય છે, તેને લીધે પાંચેય મહાવ્રત તૂટે છે અને તેનાથી બહુ દોષો બેસે છે. એક જ ફેરાના વિષયથી લાખો જીવો મરી જાય છે, તેનો દોષ બેસે છે. એટલે ઈચ્છા ના હોય છતાં એમાં ભયંકર હિંસા છે. એટલે રૌદ્રસ્વરૂપ થઈ જાય છે.

એક વિષયને લીધે તો સંસાર ઊભો રહ્યો છે. આ સ્ત્રીવિષય ના હોય ને, તો બીજાં બધાં વિષય તો કોઈ દહાડો નડતાં જ નથી. એકલા આ વિષયનો અભાવ થાય તોય દેવગતિ થાય. આ વિષયનો અભાવ થયો કે બીજાં બધાં વિષયો બધું જ કાબુમાં આવી જાય. અને આ વિષયમાં પડ્યો કે વિષયથી પહેલાં જાનવરગતિમાં જાય. વિષયથી બસ અધોગતિ જ છે. કારણ કે એક વિષયમાં

(પા.૮૩)

તો કંઈ કરોડો જીવ મરી જાય છે. સમજણ ના હોય છતાંય જોખમદારી વહોરે છે ને !

એટલે જ્યાં સુધી સંસારીપણું છે, સ્ત્રીવિષય છે, ત્યાં સુધી એ અહિંસાનો ઘાતક જ છે. એમાંય પરસ્ત્રી એ મોટામાં મોટું જોખમ છે. પરસ્ત્રી હોય તો નર્કનો અધિકારી જ થઈ ગયો. બસ, બીજું કશુંય એણે ખોળવું નહીં અને મનુષ્યપણું ફરી આવશે એવી આશા રાખવી પણ નહીં. આ જ મોટામાં મોટું જોખમ છે. પરપુરુષ અને પરસ્ત્રી એ નર્કે લઈ જનારાં છે.

અને પોતાને ઘેર પણ નિયમ તો હોવો જોઈએ ને ? આ તો એવું છેને, પોતાના હક્કની સ્ત્રી જોડેનો વિષય એ અજૂગતું નથી. છતાંય પણ જોડે જોડે એટલું સમજવું પડે કે એમાં ઘણાં બધાં જર્મ્સ (જીવો) મરી જાય છે. એટલે અકારણ તો એવું ના જ હોવું જોઈએ ને ? કારણ હોય તો વાત જુદી છે. વીર્યમાં ‘જર્મ્સ’ જ હોય છે અને તે માનવબીજનાં હોય છે. એટલે બને ત્યાં સુધી આમાં સાચવવાનું. આ અમે તમને ટૂંકમાં કહીએ. બાકી, આનો પાર આવે નહીં ને !

મનથી પર અહિંસા

બીજી ખોટી અહિંસા માનીએ એનો અર્થ શું તે ? અહિંસા એટલે કોઈના માટે ખરાબ વિચાર પણ ના આવે. એનું નામ અહિંસા કહેવાય. દુશ્મનને માટે પણ ખરાબ વિચાર ના આવે. દુશ્મનને માટે પણ કેમ એનું કલ્યાણ થાય એવો વિચાર આવે. ખરાબ વિચાર આવવો એ પ્રકૃતિ ગુણ છે, પણ તેને ફેરવવો એ આપણો પુરુષાર્થ છે. તમે સમજી ગયા કે ના સમજી ગયા આ પુરુષાર્થની વાત ?

અહિંસક ભાવવાળો તીર મારે તો જરાય લોહી ના નીકળે અને હિંસક ભાવવાળો ફૂલ નાખે તોય પેલાને લોહી નીકળે. તીર અને ફૂલ એટલાં ઇફેક્ટિવ નથી, જેટલી ઇફેક્ટિવ ભાવના છે ! એટલે અમારા એક એક શબ્દમાં ‘કોઇને દુઃખ ન થાવ, કોઇ જીવમાત્રને દુઃખ ન થાવ’ એવો નિરંતર અમને ભાવ રહ્યા કરે છે. જગતના જીવમાત્રને આ મન- વચન-કાયા થકી કિંચિત્માત્ર પણ દુઃખ ન હો, એ ભાવનામાં જ ‘અમારી’ વાણી નીકળેલી હોય. વસ્તુ કામ નથી કરતી,

(પા.૮૪)

તીર કામ નથી કરતાં, ફૂલાં કામ નથી કરતાં પણ ભાવ કામ કરે છે.

આ ‘અક્રમ વિજ્ઞાન’ તો શું કહે છે ? મનથીય હથિયાર ઊગામવાનું ના હોય, તો પછી લાકડી શી રીતે ઊગામાય ? આ દુનિયામાં કોઈ પણ જીવ, નાનામાં નાના જીવને માટે પણ મેં મનથી હથિયાર ઉગામ્યું નથી કોઈ દહાડોય, તો પછી બીજું તો ઉગામું શી રીતે ? વાણી જરા કકરી નીકળી જાય કોઈ વખત, વરસ દહાડામાં એકાદ દહાડો સહેજ કકરી નીકળી જાય. આ જેમ ખાદી ને રેશમીમાં ફેર હોય છેને, ખાદી કેવી હોય ? એવી સહેજ કકરી વાણી નીકળી જાય કોઈક દહાડો. તેય આખા વરસ દહાડામાં એકાદ દહાડો જ. બાકી, વાણી યે ઉગામી નથી કોઈ દહાડો. મનથી ઉગામ્યું નથી કોઈ દહાડોય !

નાનામાં નાનો જીવ હશે, પણ મનથી મેં હથિયાર ઉગામ્યું નથી. આ વર્લ્ડમાં કોઈ પણ જીવ, એક નાનો જીવ હોય, આ વીંછી હમણે કરડીને ગયો હોય તોય પણ એની પર હથિયાર અમે ઉગામ્યું ના હોય ! એ તો એની ફરજ બજાવી જાય છે. એ ફરજ ના બજાવે તો આપણો છૂટકારો ના થાય. એટલે કોઈ પણ જીવ જોડે મન ઉગામ્યું નથી કોઈ દહાડોય, એની ખાતરી ! એટલે માનસિક હિંસા ક્યારેય નથી કરી. નહીં તો મનનો સ્વભાવ છે, કશું આપ્યા વગર રહે નહીં.

પ્રશ્નકર્તા : તમે તો સમજી ગયા હશો કે આ હથિયારનું કામ જ નથી.

દાદાશ્રી : હા, હથિયાર કામનું જ નથી. આ હથિયારની જરૂરિયાત છે, એ વિચાર જ નથી આવ્યો. અમે તલવાર જ્યારથી જમીન પર મૂકી ત્યારથી ઉઠાવી નથી. સામો શસ્ત્રધારી હોય તોય પણ અમે શસ્ત્ર ધારણ ન કરીએ. અને છેવટે એ જ રસ્તો લેવો પડશે. જેને આ જગતમાંથી ભાગી છૂટવું છે, અનુકૂળ આવતું નથી, તેને છેવટે એ જ રસ્તો લેવો પડશે, બીજો રસ્તો નથી.

એટલે એક અહિંસા સિદ્ધ કરી દે તો બહુ થઈ ગયું. સંપૂર્ણ અહિંસા સિદ્ધ કરે તો ત્યાં વાઘ ને બકરી બે જોડે પાણી પીવે !

(પા.૮૫)

પ્રશ્નકર્તા : એ તો તીર્થંકરોમાં એ જાતનું હતું ને ?

દાદાશ્રી : હા. અને એ તીર્થંકરની વાત ક્યાં થાય ! ક્યાં એ પુરુષ ! આજ વર્લ્ડ તીર્થંકરોનાં એક વાક્યને જો સમજ્યું હોત, એક જ વાક્ય, તો આખું વર્લ્ડ પૂજા કરત. પણ એ વાક્ય એમની સમજમાં પહોંચતું જ નથી ને ! અને કોઈ પહોંચાડનારોય નથી.

પ્રશ્નકર્તા : આપ છો ને ?

દાદાશ્રી : મારી એકલાની પીપુડી ક્યાં વાગે ?

જ્ઞાની પુરુષની અહિંસાનો પ્રતાપ

જ્ઞાની પુરુષનો વ્યવહાર તો કેવો હોય ? એટલો બધો અહિંસક હોય કે મોટા મોટા વાઘ પણ શરમાઈ જાય. મોટા મોટા વાઘ બેઠા હોય તોય ટાઢા પડી જાય, એને શરદી થઈ જાય, ખરેખરી શરદી થઈ જાય ને ! કારણ કે એ અહિંસાનો પ્રતાપ છે. હિંસાનો પ્રતાપ તો જગતે જોયો ને ! આ હિટલર, ચર્ચીલ બધાનાં પ્રતાપ જોયાને ? છેવટે શું થયેલું ? વિનાશ નોતરેલો. હિંસા એ વિનાશી તત્ત્વ છે અને અહિંસા એ અવિનાશી તત્ત્વ છે.

અહિંસા ત્યાં હિંસા નહીં

પ્રશ્નકર્તા : અહિંસા હોય ત્યાં હિંસા હોય ?

દાદાશ્રી : અહિંસા સંપૂર્ણ હોય ત્યાં હિંસા ના હોય. એ પછી આંશિક અહિંસા કહેવાય. પણ જે સંપૂર્ણ અહિંસા હોય, તેમાં હિંસા હોતી નથી. પપૈયાને જેટલી જેટલી સ્લાઈસીસ પાડીએ એ બધી પપૈયામય જ હોય, એમાં એકેય કડવી ના નીકળે. એટલે સ્લાઈસ એક જ પ્રકારની હોય એટલે અહિંસામાં હિંસા ના હોય અને સંપૂર્ણ હિંસા હોય તેમાં અહિંસા યે ના હોય. પણ આંશિક હિંસા, આંશિક અહિંસા એ વસ્તુ જુદી વસ્તુ છે.

પ્રશ્નકર્તા : આંશિક અહિંસા એ દયા કહેવાય ને ?

દાદાશ્રી : હા, એ દયા કહેવાય. એ દયા કહેવાય. દયા ધર્મનું મૂળ જ

(પા.૮૬)

છે અને દયાની પૂર્ણાહુતિ એ ધર્મની પૂર્ણાહૂતિ થાય છે.

હિંસા-અહિંસાથી પર

પ્રશ્નકર્તા : દયા હોય ત્યાં નિર્દયતા હોય જ. એવું હિંસા અને અહિંસાની બાબતમાં ખરું ?

દાદાશ્રી : ખરું ને ! અહિંસા છે તો હિંસા છે. હિંસા છે તો અહિંસા ઊભી રહી છે. છેવટે પણ શું કરવાનું છે ? હિંસામાંથી બહાર નીકળીને અહિંસામાં આવવાનું છે અને અહિંસાની પણ બહાર નીકળવાનું છે. આ દ્વંદ્વથી પર જવાનું છે. અહિંસા એ પણ છોડી દેવાની છે.

પ્રશ્નકર્તા : અહિંસાથી પર, એ કઈ સ્થિતિ ?

દાદાશ્રી : એ જ, અત્યારે અમે હિંસા-અહિંસાથી પર જ છીએ. અહિંસા અહંકારને આધીન છે અને અહંકારથી પર એ આ અમારી સ્થિતિ ! હિંસા-અહિંસા હું પાળું છું, એનો પાળનાર અહંકાર હોય. એટલે હિંસા ને અહિંસાથી પર એટલે દ્વંદ્વથી પર થાય તો જ એ જ્ઞાની કહેવાય. તમામ પ્રકારના દ્વંદ્વથી પર. એટલે આપણા સાધુ મહારાજો એ બહુ દયાળુ હોય. પણ નિર્દયતાય મહીં ભરેલી હોય. દયા છે માટે નિર્દયતા છે. એક ખૂણામાં ભલે ખૂબ દયા છે. એંસી ટકા દયા છે, તો વીસ ટકા નિર્દયતા છે. ઇઠ્યાસી ટકા દયા છે તો બાર ટકા નિર્દયતા. છન્નું ટકા દયા છે તો ચાર ટકા નિર્દયતા છે.

પ્રશ્નકર્તા : એવું હિંસામાંય ખરું. છન્નું ટકા અહિંસા હોય તો ચાર ટકા હિંસા ખરી એવું.

દાદાશ્રી : સરવાળો જ દેખાય છે ને ! ઈટસેલ્ફ જ બોલે છે ને ! કે અહિંસા છન્નું છે એટલે રહ્યું શું ત્યારે ? ચાર હિંસા રહી.

પ્રશ્નકર્તા : તો એ હિંસા કેવા પ્રકારની હોય છે ?

દાદાશ્રી : એ છેલ્લા પ્રકારની. પોતે જાણે અને નિકાલ કરી નાખે. ઝટપટ એ નિકાલ કરીને છૂટો થાય.

(પા.૮૭)

જ્ઞાની, હિંસાના સાગરમાં સંપૂર્ણ અહિંસક

અરે, અમને જ લોક પૂછે છે કે આપ જ્ઞાની થઈ અને મોટરોમાં ફરો છો, તો મોટર નીચે કેટલી જીવહિંસા થતી હશે, એની જવાબદારી કોની ? હવે જ્ઞાની પુરુષ જો સંપૂર્ણ અહિંસક ના હોય તો જ્ઞાની કહેવાય જ કેમ કરીને ? સંપૂર્ણ અહિંસક એટલે હિંસાના સાગરમાંય સંપૂર્ણ અહિંસક ! એનું નામ જ્ઞાની !! એમને કિંચિત્માત્ર હિંસા ન બેસે.

પછી અમને એ લોકો કહે છે કે, ‘આપનું પુસ્તક અમે વાંચ્યું, બહુ આનંદ આપનારું છે અને અવિરોધાભાસ લાગે છે. પણ આપનું વર્તન વિરોધાભાસ લાગે છે.’ મેં કહ્યું, ‘કયું વર્તન વિરોધાભાસ લાગે છે ?’ ત્યારે કહે છે, ‘આપ ગાડીમાં ફરો છો તે.’ મેં કહ્યું, ‘તમને સમજાવું, ભગવાને શાસ્ત્રમાં શું કહ્યું છે તે પહેલું સમજાવું. પછી આપ જ ન્યાય કરજો.’ ત્યારે કહે છે, ‘શું કહ્યું છે શાસ્ત્રમાં ?’ મેં કહ્યું, ‘આત્મસ્વરૂપ એવા જ્ઞાની પુરુષને જવાબદારી કેટલી છે !? જ્ઞાની પુરુષને દેહનું માલિકીપણું ના હોય. દેહનું માલિકીપણું એમણે ફાડી નાખેલું છે. એટલે કે આ પુદ્ગલનું માલિકીપણું એમણે ફાડી નાખેલું છે. એટલે પોતે આના માલિક નથી. અને માલિકીપણું નહીં હોવાથી એમને દોષ બેસતો નથી. બીજું, જ્ઞાની પુરુષને ત્યાગ સંભવે નહીં.’ ત્યારે કહે છે, ‘એ માલિકીપણાનું મને સમજાયું નહીં.’ ત્યારે મેં કહ્યું, ‘આપને એમ શાથી લાગે છે કે મારાથી હિંસા થઈ જશે ?’ ત્યારે કહે, ‘મારા પગ નીચે જીવ આવી જાય તો મારાથી હિંસા થઈ કહેવાયને ?’ એટલે મેં કહ્યું, ‘આ પગ તમારો છે માટે હિંસા થાય છે. જ્યારે આ પગ મારો નથી. આ દેહને આજે તમારે જે કરવું હોય એ કરી શકો છો. આ દેહનો હું માલિક નથી.’ પછી કહે છે, ‘આ માલિકીપણું ના માલિકીપણું કોને કહેવું એ અમને દેખાડો.’ ત્યારે મેં કહ્યું, ‘હું આપને દાખલો આપીને સમજાવું.’

‘‘એક ગામમાં એક એરિયા એવો સરસ છે, આજુબાજુ દુકાનો ને વચ્ચે પાંચેક હજાર ફૂટનો આમ કિંમતી એરિયા. તેને માટે કો’કે અરજી કરી સરકારને કે આ જગ્યામાં એક્સાઈઝનો માલ દબાયેલો છે. એટલે પોલીસવાળું ખાતું ત્યાં ગયું, ચોમાસું ગયેલું, એટલે તે જગ્યા ઉપર આમ સરસ લીલી ઝાડી ને છોડવા

(પા.૮૮)

બધું ઉગેલું. તે જગ્યા પહેલાં ખોદી નાખી. પછી બે-ત્રણ ફૂટ ઊંડુ ખોદ્યું, ત્યારે પછી મહીંથી પેલો એક્સાઈઝનો માલ બધો નીકળ્યો. એટલે ફોજદારે આજુબાજુવાળાને પૂછાવડાવ્યું કે, ‘આનો ઓનર કોણ છે ?’ એટલે લોકોએ કહ્યું કે, ‘આ તો લક્ષ્મીચંદ શેઠનું છે. પછી ફોજદારે પૂછયું કે, ‘એ ક્યાં રહે છે ?’ ત્યારે ખબર પડી કે અમુક જગ્યાએ રહે છે. એટલે પોલીસવાળાને મોકલ્યા કે લક્ષ્મીચંદશેઠને પકડી લાવો. પોલીસો લક્ષ્મીચંદશેઠ પાસે ગયા. ત્યારે લક્ષ્મીચંદશેઠે કહ્યું કે, ભાઈ, આ જગ્યા મારી છે એવું તમે કહો છો એ બરોબર છે. પણ મેં તો પંદર દહાડા પહેલાં વેચી દીધેલી છે. આજે હું આ જમીનનો માલિક નથી. ત્યારે પેલાએ પૂછયું કે, કોને વેચી છે એ કહો. તમે એનો પુરાવો દેખાડો. પછી શેઠે પુરાવાની નકલ દેખાડી. એ નકલ જોઈને એ લોકો જેણે આ જગ્યા વેચાતી લીધી હતી, તેમની પાસે ગયા. તેને કહે છે કે, ભાઈ, આ જગ્યા તમે વેચાતી લીધી છે ? ત્યારે પેલો કહે છે, હા, મેં લીધી છે. પોલીસવાળાએ કહ્યું કે, તમારી જમીનમાંથી આવું નીકળ્યું છે. ત્યારે પેલો કહે છે, પણ મેં તો આ જમીન પંદર દહાડા પર જ લીધી છે અને આ માલ તો ચોમાસા પહેલાં દબાયેલો લાગે છે, એમાં મારો શો ગુનો ? ત્યારે પોલીસવાળો કહે છે, એ અમારે જોવાનું નથી. ‘હુ ઈઝ ધી ઓનર નાઉ ? આજ કોણ માલિક છે ?’ આજે માલિકીપણું નથી તો જોખમદાર નથી. માલિક છો તો જોખમ છે.’’

એટલે એ લોકોય સમજી ગયા. જો પંદર દહાડા પર જ લીધું તોય જોખમદાર થયો ને ? બાકી, આમ બુદ્ધિથી જોવા જતાં એ ચોમાસા પહેલાં દબાયેલું છે.

હવે આટલી બધી ઝીણવટથી સમજે તો ઉકેલ આવે. નહીં તો ઉકેલ જ આવે કેમ કરીને ? આ તો પઝલ છે. ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ. આ પઝલ સોલ્વ કેમ કરી શકાય ? ધેર આર ટુ વ્યુ પોઈન્ટસ ટુ સોલ્વ ધીસ પઝલ. વન રિલેટિવ વ્યુ પોઈન્ટ, વન રિયલ વ્યુ પોઈન્ટ. આ જગતમાં જો પઝલ સોલ્વ નહીં કરે તો એ પઝલમાં જ ડિઝોલ્વ થયેલો છે. આખું જગત, બધા જ આ પઝલમાં ડિઝોલ્વ થઈ ગયેલા છે.

(પા.૮૯)

પ્રશ્નકર્તા : આવાં અર્થ કરીને પછી બધાં લોકો મઝા જ કરે ને, કે હું માલિક નથી એમ ? ને પછી બધાં આવી રીતે કહીને દુરુપયોગ કરે ને ?

દાદાશ્રી : માલિક નથી એવું કોઈ બોલે-કરે નહીં. નહીં તો હમણે ધોલ મારીએ ને, તોય માલિક થઈ જાય ! ગાળ ભાંડીએ તોય માલિક થઈ જાય, તરત જ સામો થઈ જાય. એટલે આપણે જાણવું કે માલિક છે આ. માલિક છે કે માલિક નથી એનો પુરાવો તરત જ મળે ને ! એનું ટાઈટલ દેખાઈ જ જાય કે આ માલિક છે કે નથી ? ગાળ ભાંડીએ કે તરત જ ટાઈટલ દેખાડે કે ના દેખાડે ? એટલે વાર જ ના લાગે. બાકી, આમ મોઢે બોલે તે કંઈ દહાડો વળે કે ?

પ્રશ્નકર્તા : પણ આ ગાડીઓમાં ફરે એમાં પાપ નથી ?

દાદાશ્રી : આ પાપ તો, નર્યું આ જગત જ પાપમય છે. જ્યારે આ દેહનો માલિક નહીં હોય તો જ નિષ્પાપી થાય. નહીં તો આ દેહનો માલિક છે ત્યાં સુધી બધા પાપ જ છે.

આપણે શ્વાસ લઈએ તો કેટલાંય જીવ મરી જાય ને શ્વાસ છોડતાંય કેટલાંય જીવ મરી જાય છે. અમથા અમથા આપણે હેંડીએ ને, તોય કેટલાંય જીવને આપણો ધક્કો વાગ્યા કરે છે ને જીવો મર્યા કરે છે. આપણે આમ હાથ કર્યો તોય જીવો મરી જાય છે. આમ, એ જીવો દેખાતા નથી તોય જીવો મર્યા કરે છે.

એટલે એ બધું પાપ જ છે. પણ આ દેહ તે હું નથી એવું જ્યારે ભાન થશે, દેહનું માલિકીપણું નહીં હોય, ત્યારે પોતે નિષ્પાપ થશે. હું આ દેહનો છવ્વીસ વર્ષથી માલિક નથી. આ મનનો માલિક નથી, વાણીનો માલિક નથી. માલિકીભાવના દસ્તાવેજ જ ફાડી નાખેલા છે, એટલે એની જવાબદારી જ નહીં ને ! એટલે જ્યાં માલિકીભાવ ત્યાં ગુનો લાગુ થાય. માલિકીભાવ નથી ત્યાં ગુનો નથી. એટલે અમે તો સંપૂર્ણ અહિંસક કહેવાઈએ. કારણ કે આત્મામાં જ રહીએ છીએ. હોમ ડિપાર્ટમેન્ટમાં જ રહીએ છીએ અને ફોરેનમાં હાથ ઘાલતા જ નથી. એટલે આ બધા હિંસાના સાગરમાં સંપૂર્ણ અહિંસક છીએ.

(પા.૯૦)

પ્રશ્નકર્તા : આ ‘જ્ઞાન’ લીધા પછી અહિંસક થઈ જાય છે ?

દાદાશ્રી : આ જ્ઞાન તો મેં તમને આપ્યું છે કે આ તમને પુરુષ બનાવ્યા છે. હવે અમારી આજ્ઞા પાળવાથી હિંસા તમને અડે નહીં. તમે પુરુષાર્થ કરો તો તમારો. પુરુષાર્થ કરો તો પુરુષોત્તમ થશો, નહીં તો પુરુષ તો છો જ. એટલે અમારી આજ્ઞા પાળવી એ પુરુષાર્થ છે. અહિંસકને હિંસા કેમ અડે ?

પ્રશ્નકર્તા : નવ કલમો જે અનુભવમાં લાવે, એને હિંસા નડે જ નહીં.

દાદાશ્રી : હા, એનેય હિંસા નડે. પણ નવ કલમો બોલે તેનાથી તો અત્યાર સુધી હિંસા થયેલી હોય એ ધોવાઈ જાય. પણ આ જે પાંચ આજ્ઞા પાળેને, એને તો હિંસા અડે જ નહીં. હિંસાના સાગરમાં ફરે, નર્યો સાગર જ આખો હિંસાનો છે. આ હાથ ઊંચો કરે તો કેટલાંય જીવ મરી જાય. નર્યું જીવથી જ ભરેલું જગત છે. પણ અમારી પાંચ આજ્ઞા પાળે તે ઘડીએ આ દેહમાં પોતે ના હોય. અને દેહ છે તે સ્થૂળ હોવાથી બીજા જીવોને દુઃખદાયી થઈ પડે છે. આત્મા સૂક્ષ્મ હોવાથી કોઈનેય નુકસાન કરતું નથી. માટે અમે અમારા પુસ્તકમાં ચોખ્ખું લખ્યું છે કે અમે હિંસાના સાગરમાં સંપૂર્ણ અહિંસક છીએ. સાગર છે હિંસાનો, તેમાં અમે સંપૂર્ણ અહિંસક છીએ. અમારું મન તો હિંસક છે જ નહીં, પણ વાણી જરા હિંસક છે થોડી જગ્યાએ, તે ટેપરેકર્ડ છે. અમારે એનું માલિકીપણું નથી. છતાંય ટેપરેકર્ડ અમારી, એટલા પૂરતો ગુનો અમને. એનાં પ્રતિક્રમણ અમારે હોય. ભૂલ તો પહેલાં અમારી જ હતી ને ! હું ઈઝ ધી ઓનર ? ત્યારે આપણે કહીએ કે ‘વી આર નોટ ધી ઓનર.’ ત્યારે કહે કે પહેલાના ઓનર એ. તમે વચ્ચે વેચેલી નહતી, વચ્ચે વેચાયેલી હોય તે જુદી વસ્તુ.

પ્રશ્નકર્તા : દાદા, તમારી અહિંસક વાણીથી અમે બધાં મહાત્માઓ અહિંસક બની રહ્યાં છીએ.

દાદાશ્રી : અમારી આજ્ઞા પાળો તો તમે અહિંસક છો, એવું આટલું બધું સુંદર કહું છું પછી ! અને તે અઘરી હોય તો મને કહી દો, બદલી આપીએ.

(પા.૯૧)

સંપૂર્ણ અહિંસા ત્યાં પ્રગટે કેવળજ્ઞાન

એટલે ધર્મ કયો ઊંચો કે જ્યાં આગળ સૂક્ષ્મ ભેદે અહિંસા સમજમાં આવેલી હોય. સંપૂર્ણ અહિંસા એ કેવળજ્ઞાન ! એટલે હિંસા બંધ થાય તો સમજવું કે અહીં સાચો ધર્મ છે.

હિંસા વગરનું જગત છે જ નહીં, જગત જ આખું હિંસામય છે. જ્યારે તમે પોતે જ અહિંસાવાળા થશો તો જગત અહિંસાવાળું થાય અને અહિંસાના સામ્રાજ્ય વગર કોઈ દહાડોય કેવળજ્ઞાન નહીં થાય, જે જાગૃતિ છે એ પૂરી આવશે નહીં. હિંસા નામ ના હોવી જોઈએ. હિંસા કોની કરે છે ? આ બધું પરમાત્મા જ છે, બધાં જીવમાત્ર પરમાત્મા જ છે. કોની હિંસા કરશો ? કોને દુઃખ દેશો ?

ચરમ અહિંસાનું વિજ્ઞાન

જ્યાં સુધી તમને એમ લાગે છે કે ‘હું ફૂલ તોડુ છું, મને હિંસા લાગે છે.’ ત્યાં સુધી હિંસા તમને લાગશે અને એવું નથી જાણતા, તેનેય હિંસા લાગે છે. પણ જાણી અને જે તોડે છે છતાં પોતે સ્વભાવમાં આવી ગયેલા છે, તેને હિંસા લાગે નહીં.

કારણ કે એવું છે ને, ભરત રાજાને તેરસો રાણીઓ સાથે, લડાઈ લડતાં પણ જ્ઞાન રહ્યું હતું. ત્યારે એ અધ્યાત્મ કેવું ? અને આ લોકોને એક રાણી હોય તોય નથી રહેતું. ભરત રાજાએ ઋષભદેવ ભગવાનને કહ્યું કે, ‘ભગવાન, આ લડાઈઓ લડુ છું અને કેટલાંય જીવોની હિંસા થાય છે અને આ તો મનુષ્યોની હિંસાઓ થાય છે, બીજાં નાનાં જીવોની હિંસા થઈ હોય તો ઠીક છે પણ આ તો મનુષ્ય હિંસા ! અને તે લડાઈઓ લડીએ છીએ માટે થાય છે ને !’ એટલે ભગવાને કહ્યું કે, ‘આ બધો તારો હિસાબ છે અને તે ચૂકવવાનો છે.’ ત્યારે ભરત રાજા કહે છે કે, ‘પણ મારેય મોક્ષે જવું છે, મારે કંઈ આવું બેસી રહેવું નથી.’ ત્યારે ભગવાન કહે છે કે, ‘અમે તને અક્રમ વિજ્ઞાન આપીએ છીએ, એ તને મોક્ષે લઈ જશે. એટલે સ્ત્રીઓ સાથે રહેવા છતાં લડાઈઓ લડવા છતાં કશું અડે નહીં. નિર્લેપ રહી શકે, અસંગ રહી શકે એવું જ્ઞાન આપીએ છીએ.’

(પા.૯૨)

શંકા ત્યાં લગી દોષ

‘આ’ જ્ઞાન પછી પોતે શુદ્ધાત્મા થઈ ગયો. હવે દરઅસલ શુદ્ધાત્મા સમજમાં આવે તો કોઈ પણ જાતની હિંસા કે કશું અશુભ કરે, એ પોતાના ગુણધર્મમાં છે જ નહીં. એને શુદ્ધાત્માનું લક્ષ પૂરેપૂરું છે. પણ જ્યાં સુધી હજુ પોતાને શંકા પડે છે કે મને દોષ બેઠો હશે ! જીવ મારાથી વટાઈ ગયો ને મને દોષ બેઠો છે એવી શંકા પડે છે ત્યાં સુધી સવારના પહોરમાં પોતે નિશ્ચય કરીને નીકળવું. ‘કોઈ જીવને મન-વચન-કાયાથી કિંચિત્માત્ર દુઃખ ના હો’ એવું પાંચ વખત બોલીને નીકળો, એવું ‘આપણે’ ‘ચંદુભાઈ’ પાસે બોલાવડાવવું. એટલે આપણે આવું સહેજ કહેવું કે ચંદુભાઈ, બોલો, સવારના પહોરમાં ઊઠતાંની સાથે, ‘મન-વચન-કાયાથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો, એ અમારી દ્રઢ પ્રતિજ્ઞા છે.’ અને એવું ‘દાદા ભગવાન’ની સાક્ષીએ બોલીને નીકળ્યા કે પછી બધી જવાબદારી ‘દાદા ભગવાન’ની.

અને જો શંકા ના પડતી હોય તો એને કશો વાંધો નહીં. અમને શંકા પડે નહીં અને તમને શંકા પડે એ સ્વાભાવિક છે. કારણ કે તમને તો આ આપેલું જ્ઞાન છે. એક માણસે લક્ષ્મી જાતે કમાઈને ભેગી કરેલી હોય અને એક માણસને લક્ષ્મી આપેલી હોય, એ બેના વ્યવહારમાં બહુ ફેર હોય.

ખરી રીતે જ્ઞાની પુરુષે જે આત્મા જાણ્યો છે ને, એ આત્મા તો કોઈનેય કિંચિત્માત્ર કશું દુઃખ ના દે એવો છે અને કોઈ એને કિંચિત્માત્ર દુઃખ ન દે એવો એ આત્મા છે. ખરી રીતે મૂળ આત્મા એવો છે.

વેદક - નિર્વેદક - સ્વસંવેદક

એક માણસ મને પૂછતો હતો. એ મને કહે છે, ‘આ મચ્છરાં કૈડે એ શી રીતે પોષાય ?’ ત્યારે મેં કહ્યું, ‘ધ્યાનમાં બેસજે. મચ્છરાં કૈડે તો જોજે.’ ત્યારે એ કહે છે, ‘એ તો સહન નથી થતું.’ ત્યારે મેં કહ્યું, ‘એવું બોલજે કે હું નિર્વેદ છું. હવે વેદક સ્વભાવ મારો નથી, હું તો નિર્વેદ છું. એટલે થોડે અંશે તું પાછો તારા હોમ ડિપાર્ટમેન્ટ ભણી આવ્યો. એમ કરતો કરતો એવું સો-બસ્સો વખત તને મચ્છરાં કૈડે, એમ કરતું કરતું પોતે નિર્વેદ થઈ જશે.’ નિર્વેદ એટલે

(પા.૯૩)

શું ? જાણનાર ખાલી, કે ‘મચ્છરું આ અહીં આગળ કૈડ્યું.’ પોતે વેદ્યું નહીં, એ નિર્વેદ ! ખરેખર પોતે વેદતો જ નથી પણ વેદે છે એ પૂર્વ અભ્યાસ છે. પૂર્વનો અભ્યાસ છે ને, તેથી એ બોલે છે કે ‘આ મને કૈડ્યું.’ એટલે ખરેખર પોતે નિર્વેદ જ છે. પણ આપણે આ સત્સંગમાં બેસી બેસીને એ પદ સમજી લેવાનું છે, એ આખું પદ સમજી લેવાનું છે કે આત્મા ખરી રીતે આવો છે. માટે અત્યારે આપણે શુદ્ધાત્માપદથી ચલાવી લેવાનું. એટલું બોલીએ તોય એને કર્મ આવતા બંધ થઈ ગયા. એ આરોપિત ભાવથી છૂટ્યો એટલે કર્મ બંધાતા અટકી ગયાં.

પ્રશ્નકર્તા : આ મચ્છર કૈડ્યું હોય તોય ‘હું વેદક નથી’ કહેવું ?

દાદાશ્રી : હા, આ તમે આમ બેઠા હોય અને અહીં હાથે મચ્છર બેઠું. એટલે ‘બેઠું’ એ તમને પહેલો અનુભવ થાય. એ તમને જાણપણું થાય. આ મચ્છર બેઠું તે ઘડીએ જાણપણું હોય છે કે વેદકપણું હોય છે ? તમને શું લાગે છે ?

પ્રશ્નકર્તા : બેઠું હોય તે વખતે તો જાણપણું જ થાય.

દાદાશ્રી : હા, પછી એ ડંખ મારે છે તે ઘડીએ પણ જાણપણું છે. પણ પછી ‘મને મચ્છર કૈડ્યું, મને કૈડ્યું’ કહે છે એટલે એ વેદક થાય છે. હવે ખરેખર પોતે નિર્વેદ છે, એટલે મચ્છર ડંખ મારે તે ઘડીએ આપણે કહેવું કે, ‘હું તો નિર્વેદ છું.’ પછી ડંખ ઊંડો જાય ત્યારે આપણે ફરી કહેવું, ‘હું નિર્વેદ છું.’

પ્રશ્નકર્તા : હવે આપે નિર્વેદની વાત કરી. પણ બીજો એક શબ્દ વાપરેલો છે કે સ્વસંવેદન હોય છે.

દાદાશ્રી : સ્વસંવેદન તો ના બોલાય. એ તો બહુ ઊંચી વસ્તુ છે. સ્વસંવેદન એ તો છેલ્લી વાત કહેવાય. અત્યારે તો આપણે ‘હું નિર્વેદ છું’ બોલવું કે જેથી આ વેદના ઓછી થાય. મારું શું કહેવાનું કે તોય વેદના એકદમ જાય નહીં. અને સ્વસંવેદન તો ‘જ્ઞાન’ જ થયું કહેવાય. એને ‘જાણે’ જ ! છો ને ડંખ વાગે, જબરજસ્ત ડંખ વાગે તોય એને જાણ્યા જ કરે, વેદે જ નહીં.

(પા.૯૪)

એ સ્વસંવેદન કહેવાય.

પ્રશ્નકર્તા : પણ આ મચ્છર જે કૈડ્યું અને એની જે પ્રતિક્રિયા થઈ કે ‘આ મને મચ્છર કૈડ્યું.’ તે પ્રતિક્રિયાને પણ સ્વસંવેદનમાં જાણે ?

દાદાશ્રી : હા, તેનેય જાણે.

પ્રશ્નકર્તા : પણ આપે કહ્યું કે, ‘હું વેદતો નથી, વેદતો નથી’ કહીએ એટલે લોક એવું સમજે કે વેદનતા જતી રહી.

દાદાશ્રી : ના, એવું નથી. વેદનતાને પણ એ જાણે. પણ એટલું બધું માણસોનું ગજુ નથી. એટલે ‘હું નિર્વેદ છું’ એવું બોલને, તો એને અસર ના થાય. ‘આત્મા’નો સ્વભાવ નિર્વેદ છે. આ બોલે એટલે ‘એને’ કશું અસર ના થાય. પણ સ્વસંવેદન એ ઊંચી વસ્તુ છે. એ જો જાણતો જાય તો સ્વસંવેદનમાં જાય. એમાં તો એણે જાણવાનું જ કે આ ડંખ વાગ્યો. એને જ જાણ્યું. પછી એ ડંખ ઊડી ગયો તેને પણ જાણ્યું. એમ કરતો કરતો સ્વસંવેદનમાં જાય. પણ નિર્વેદ તો એ એક સ્ટેપ છે કે અકળામણ સિવાય એ સહન કરી શકે.

પ્રશ્નકર્તા : આત્મા જ સ્વસંવેદનથી જણાય ને ?

દાદાશ્રી : આત્મા પોતે સ્વસંવેદન જ છે. પણ તમને ‘આ’ જ્ઞાન લીધું છે છતાં પાછલો અહંકાર ને મમતા જાય નહીં ને, હજુ !

પ્રશ્નકર્તા : સ્વસંવેદનશીલ છે, તેનું દર્શન સમગ્ર હોય ને ?

દાદાશ્રી : સમગ્ર હોય. પણ એ દશા હજુ આ કાળમાં નથી થાય એવી. એટલે સ્વસંવેદન એટલું કચાશ રહે છે. સંપૂર્ણ સ્વસંવેદન થઈ શકતું નથી આ કાળમાં. સમગ્ર દશા તો કેવળજ્ઞાન થાય ત્યારે થાય.

‘લાઈટ’ને કાદવ રંગે ?

તમને આત્માના પ્રકાશની ખબર નહીં હોય ? આ મોટરની લાઈટનો પ્રકાશ આ વાંદરાની ખાડીમાં જાય, તો એ પ્રકાશને ગંધ અડે કે ના અડે ? અગર તો એ પ્રકાશ છે તે ખાડીનાં રંગવાળો થાય ?

(પા.૯૫)

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : ત્યારે કાદવવાળો થાય ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : આ પ્રકાશ કાદવને અડે, પણ કાદવ એને અડે નહીં. તો આ મોટરનો પ્રકાશ આવો છે, તો આત્માનો પ્રકાશ કેવો હશે ! એને કોઈ જગ્યાએ લેપ જ ના ચઢે. તેથી આત્મા નિરંતર નિર્લેપ જ હોય છે, અસંગ જ રહે છે. કશું અડે જ નહીં, ચોંટે જ નહીં એવો આત્મા છે.

એટલે આત્મા તો લાઈટ સ્વરૂપ છે પણ આવું લાઈટ નથી એ. એ પ્રકાશ મેં જોયેલો છે, તે પ્રકાશ છે. આ મોટરની લાઈટનો પ્રકાશ તો ભીંતથી અંતરાય. ભીંત આવીને એટલે એ પ્રકાશ અંતરાય. ‘પેલો’ પ્રકાશ ભીંતથી અંતરાય એવો નથી. ફક્ત આ પુદ્ગલ જ એવું છે કે જેનાથી તે અંતરાય, ભીંતથી ના અંતરાય. વચ્ચે ડુંગર હોય તો અંતરાય નહીં.

પ્રશ્નકર્તા : પુદ્ગલમાં કેમ અંતરાય ?

દાદાશ્રી : આ પુદ્ગલ છેને, તે મહીં મિશ્રચેતન છે. જો જડ હોતને તો ના અંતરાત. પણ આ મિશ્રચેતન છે તેથી અંતરાય છે.

પ્રશ્નકર્તા : આ ખાડીનો અને પ્રકાશનો દાખલો આપ્યો તે બહુ જ સચોટ છે.

દાદાશ્રી : હા, પણ એ અમે આપીએ જ કોઈક દહાડો. નહીં તો ના અપાય. આ દાખલો બધાને અપાય નહીં. નહીં તો લોક અવળે રસ્તે ચઢી જાય.

ન અડે હિંસા, આત્મસ્વરૂપીને

હવે આ રોડ ઉપર ચંદ્રમાનું અજવાળું હોય તો પેલી આગળની લાઈટ ના હોય, તો ગાડી ચલાવે કે ના ચલાવે લોકો ?

પ્રશ્નકર્તા : ચલાવે.

(પા.૯૬)

દાદાશ્રી : તો એને કશી શંકા ના પડે. પણ લાઈટ થાય ત્યારે શંકા પડે. બહાર આગળ લાઈટ હોય તો એ અજવાળામાં એને દેખાય કે ઓહોહો, આટલાં બધાં જીવડાં ફરે છે ને ગાડી જોડે અથડાય છે તે બધાં મરી જાય છે. પણ ત્યાં એને શંકા પડે છે કે મેં જીવહિંસા કરી.

હા, તે લોકોને લાઈટ નામેય નથી, એટલે એને જીવડાં દેખાતાં જ નથી. એટલે એમને આ બાબતમાં શંકા જ ના પડે. જીવ વટાય છે એવું ખબર જ ના પડે ને ! પણ જેને જેટલું અજવાળું થાય એટલા જીવ દેખાતા જાય. લાઈટ જેમ જેમ વધે તેમ તેમ લાઈટમાં જીવડાં દેખાતાં જાય કે જીવડાં ગાડીને અથડાય છે ને મરી જાય છે. એવું જાગૃતિ વધતી જાય તેમ પોતાના દોષ દેખાય. નહીં તો લોકોને તો પોતાના દોષ દેખાતા જ નથી ને ? આત્મા એ લાઈટ સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે, એ આત્માને અડીને કોઈ જીવને કશું દુઃખ થતું નથી. કારણ કે જીવોનીય આરપાર નીકળી જાય એવો આત્મા છે. જીવો સ્થૂળ છે ને આત્મા સૂક્ષ્મતમ છે. એ ‘આત્મા’ અહિંસક જ છે. જો એ આત્મામાં રહો તો ‘તમે’ અહિંસક જ છો. અને જો દેહના માલિક થશો તો હિંસક છો. એ આત્મા જાણવા જેવો છે. એવો આત્મા જાણે, પછી એને શી રીતે દોષ બેસે ? શી રીતે હિંસા અડે ? એટલે આત્મસ્વરૂપ થયા પછી કર્મ બંધાય જ નહીં.

પ્રશ્નકર્તા : પછી જીવહિંસા કરે તોય કર્મ ના બંધાય ?

દાદાશ્રી : હિંસા થાય જ નહીં ને ! ‘આત્મસ્વરૂપ’થી હિંસા જ થાય નહીં. ‘આત્મસ્વરૂપ’ ‘જે’ થયો, હિંસા એનાથી થાય જ નહીં.

એટલે આત્મજ્ઞાન થયા પછી કોઈ કાયદા અડતાં નથી. જ્યાં સુધી દેહાધ્યાસ છે ત્યાં સુધી બધા કાયદા છે અને ત્યાં સુધી જ બધાં કર્મ અડે છે. આત્મજ્ઞાન થયા પછી કોઈ શાસ્ત્રનો કાયદો અડતો નથી, કર્મ અડતું નથી, હિંસા કે કશું અડતું નથી.

પ્રશ્નકર્તા : અહિંસા ધર્મ કેવો છે ? સ્વયંભૂ ?

દાદાશ્રી : સ્વયંભૂ નથી. પણ અહિંસા આત્માનો સ્વભાવ છે અને હિંસા એ આત્માનો વિભાવ છે. પણ ખરેખર સ્વભાવ નથી આ. મહીં અંદર કાયમને

(પા.૯૭)

માટે રહેનારો સ્વભાવ ન્હોય આ. કારણ કે એવું તો ગણવા જઈએ તો બધા બહુ સ્વભાવ હોય. એટલે આ બધા દ્વન્દ્વો છે.

એટલે વાતને જ સમજવાની જરૂર છે. આ ‘અક્રમ વિજ્ઞાન’ છે. આ વીતરાગોનું, ચોવીસ તીર્થંકરોનું વિજ્ઞાન છે ! પણ તમે સાંભળ્યું નથી એટલે તમને અજાયબી લાગે કે આવું વળી નવી જાતનું તો હોતું હશે ? એટલે ભડકાટ પેસે. ને ભડકાટ પેસે એટલે કાર્ય ન થાય. ભડકાટ છૂટે તો કાર્ય થાય ને !

એ આત્મસ્વરૂપ તો એટલું સૂક્ષ્મ છે કે અગ્નિ અંદર આરપાર નીકળી જાય તોય કશું ના થાય. બોલો હવે, ત્યાં આગળ હિંસા શી રીતે અડે ? આ તો પોતાનું સ્વરૂપ સ્થૂળ છે, એવું જેને દેહાધ્યાસ સ્વભાવ છે ત્યાં આગળ એને હિંસા અડે. એટલે એમ થતું હોય, આત્મસ્વરૂપને હિંસા અડતી હોય તો તો કોઈ મોક્ષે જ ના જાય. પણ મોક્ષની તો બહુ સુંદર વ્યવસ્થા છે. આ તો અત્યારે તમે જે જગ્યાએ બેઠા છો ત્યાં રહીને એ બધી વાત સમજાય નહીં, પોતે આત્મસ્વરૂપ થયા પછી બધું સમજાઈ જાય, વિજ્ઞાન ખુલ્લું થઈ જાય !

- જય સચ્ચિદાનંદ

www.dadabhagwan.org