દાદા ભગવાન પ્રરૂપિત
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય (પૂર્વાર્ધ)
સંકલન : ડૉ. નીરુબેન અમીન
(પા. ૩)સમર્પણવિકરાળ વિષયાગ્નિમાં દિનરાત જલતા; અરેરે ! અવદશા તો ય તેમાં જ વિચરતા! સંસારનાં પરિ ભ્રમણને સહર્ષ સ્વીકારતા; ને પરિણામે દુઃખ અનંત ભોગવતા! દાવાઓ કરારી, મિશ્રચેતન-સંગે ચૂકવતા; અનંત આત્મસુખને, વિષયભોગે વિમુખતા! વિષય અજ્ઞાન ટળે, જ્ઞાની ‘જ્ઞાન’ પથરાતા; ‘દ્રષ્ટિ’ નિર્મળતા તણી કૂંચીઓ અર્પતાં! ‘મોક્ષગામી’ કાજે - બ્રહ્મચારી કે પરિણતા; શીલની સમજ થકી મોક્ષપથને પમાડતા! અહો ! નિર્ગ્રંથજ્ઞાનીની વાણીતણી અદ્ભુતતા; અનુભવીનાં વચનો નિર્ગ્રંથપદને પમાડતાં! મોક્ષપંથે વિચરતા, ‘શીલપદ’ને ભાવતા; વીતરાગ ચારિત્ર્યના બીજાંકુર ખીલવતા! અહો ! બ્રહ્મચર્યની સાધના કાજે નીસરતા; આંતર્ બાહ્ય મૂંઝવણે સત્ ઉકેલ દર્શાવતા! જ્ઞાનવેણોની સંકલના, ‘સમજ બ્રહ્મચર્ય’ની કરાવતા; આત્મકલ્યાણાર્થે ‘આ’, મહાગ્રંથ જગચરણે સમર્પિતા! (પા. ૪)- ત્રિમંત્ર -નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવઝ્ઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો; સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વેસિં; પઢમં હવઈ મંગલં (૧) ૐ નમો ભગવતે વાસુદેવાય (૨) ૐ નમઃ શિવાય (૩) જય સચ્ચિદાનંદ (પા. ૫)‘દાદા ભગવાન’ કોણ ?જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતાં સુરતનાં સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભૂત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ? ’ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફ્ટ માર્ગ ! શોર્ટકટ !! તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’નો ફોડ પાડતા કહેતાં કે, ‘‘આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ ન્હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદલોકના નાથ છે, એ તમારામાંય છે, બધામાંય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.’’ આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રત્યક્ષ લિંકપરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. દાદાશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન (નીરુમા)ને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. દાદાશ્રીના દેહવિલય બાદ નીરુમા તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવતા હતા. પૂજ્ય દીપકભાઈ દેસાઈને દાદાશ્રીએ સત્સંગ કરવા માટે સિદ્ધિ આપેલ. નીરુમાની હાજરીમાં તેમના આશીર્વાદથી પૂજ્ય દીપકભાઈ દેશ-વિદેશોમાં ઘણાં ગામો-શહેરોમાં જઈને આત્મજ્ઞાન કરાવી રહ્યા હતા. જે નીરુમાના દેહવિલય બાદ ચાલુ જ રહેશે. આ આત્મજ્ઞાન મેળવ્યા બાદ હજારો મુમુક્ષુઓ સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે. (પા. ૬)સંપાદકીયજીવનમાં જોખમો તો જાણી જોયાં પણ અનંતા જીવનનાં જોખમોની જડ, જે છે તે જેણે જાણી હોય તો જ તે તેમાંથી છુટકારો પામી શકે ! અને તે જડ છે વિષયની ! આ વિષયમાં તો કેવી ભયંકર પરવશતા સર્જાય છે ?! એમાં આખી જિંદગી કોઈના ગુલામ બની રહેવાનું ! કેમ પોષાય ? વાણી, વર્તન એટલું જ નહીં, પણ એનાં મનને પણ દિન રાત સાચવ્યા કરવાનું ! તેમ છતાં પલ્લે શું આવવાનું ?! સંસારની નરી પરવશતા, પરવશતા ને પરવશતા ! પોતે આખા બ્રહ્માંડનો માલિક બની સંપૂર્ણ સ્વતંત્રપદમાં આવી શકે તેવી ક્ષમતા ધરાવનારો વિષયમાં ડૂબી પરવશ બની જાય છે. આ તે કેવી કરુણાજનક સ્થિતિ ! વિષયની બળતરામાં કારણ વિષય પ્રત્યેની ઘોર આસક્તિ છે ને સર્વ આસક્તિનો આધાર વિષયના વાસ્તવિક સ્વરૂપની ‘અજ્ઞાનતા’ છે. ‘જ્ઞાની પુરુષ’ વિના એ અજ્ઞાનતા કઈ રીતે દૂર થાય ?! જ્યાં સુધી વિષયની મૂર્છામાં વર્તે છે, ત્યાં સુધી જીવના અધોગમન કે ઊર્ધ્વગમનની કોઈ પારાશીશી જો ગણવી હોય, તો તે તેની વિષય પ્રત્યેની અનુક્રમે રુચિ અગર તો અરુચિ છે ! પરંતુ જેને સંસારનાં સર્વ બંધનોથી મુક્ત થવું છે, તે જો એક વિષયબંધનથી મુક્ત થયો તો સર્વ બંધનો સહેજે છૂટે છે ! સંપૂર્ણ બ્રહ્મચર્યના પાલન થકી જ વિષયાસક્તિની જડ નિર્મૂલ થઈ જાય તેમ છે. યથાર્થ બ્રહ્મચર્ય પાળવામાં, એની શુદ્ધતાને સર્વપણે સાર્થક કરવામાં ‘જ્ઞાની પુરુષ’ના આશ્રયે રહીને એક ભવ જાય તો તે અનંત ભવોની ભટકામણનો અંત લાવે એવું છે !!! આમાં અનિવાર્ય કારણ જો કોઈ હોય તો તે પોતાનો બ્રહ્મચર્ય પાળવાનો દ્રઢ નિશ્ચય છે. એને માટે બ્રહ્મચર્યના નિશ્ચયને છેદતાં એકે એક વિચારને પકડી, તેને મૂળથી ઉખેડી નાખ્યા કરવાના છે. નિશ્ચયને છેદતા વિચારો, જેવા કે ‘વિષય વિના રહેવાશે કે કેમ ? મારા સુખનું શું ? પત્ની વિના રહેવાશે કે કેમ ? મારે આધાર કોનો ? પત્ની વિના એકલા કેમ નિભાવાશે ? જીવનમાં કોની હૂંફ મળી રહેશે ? ઘરનાં નહીં માને તો ?!’ .......ઈ. ઈ. નિશ્ચયને છેદતાં અનેક (પા. ૭)વિચારો સ્વાભાવિકપણે આવવાના. ત્યાં તેને તુરત ઉખેડી નિશ્ચય પાછો વધારેને વધારે મજબૂત કરી લેવાનો રહે છે. વિચારોને ઉડાડતું યથાર્થ ‘દર્શન’ મહીં પોતાની જાતને દેખાડવું પડે, કે ‘વિષય વિના કેટલાય જીવી ગયા, એટલું જ નહીં પણ સિદ્ધેય થયા. પોતે આત્મા તરીકે અનંત સુખધામ છે, વિષયની પોતાને જરૂર જ નથી ! પત્ની મરી જાય તે શું એકલા નથી જીવતા ? હૂંફ કોની ખોળવાની ? પોતાનું નિરાલંબ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે ને બીજી બાજુ હૂંફ ખોળવી છે ? એ બે કેમ બને ?’ અને જ્યાં પોતાનો નિશ્ચય મેરુ પર્વતની જેમ અડોલ રહે છે, ત્યાં કુદરત પણ તેને યારી આપે છે ને વિષયમાં લપસવાના સંજોગો જ ભેગા નથી થવા દેતી. એટલે પોતાના નિશ્ચય ઉપર જ બધો આધાર છે. બ્રહ્મચર્ય પાળવું છે એવો અભિપ્રાય દ્રઢ થાય એનાથી કંઈ પતતું નથી. બ્રહ્મચર્ય માટેની જાગૃતિ ઉત્પન્ન થવી અતિ અતિ મહત્ત્વની વસ્તુ છે. બ્રહ્મચર્ય માટેની જાગૃતિ ક્ષણે ક્ષણે વર્તાતી રહે ત્યારે બ્રહ્મચર્ય વર્તનામાં રહે. એટલે જ્યારે રાત-દિવસ બ્રહ્મચર્ય સંબંધીની જ વિચારણાઓ ચાલતી રહે, નિશ્ચય દ્રઢ થતો રહે, સંસારનું વૈરાગ્ય નિપજાવનારું સ્વરૂપ દિનરાત દેખાતું રહે, બ્રહ્મચર્યનાં પરિણામો સતત દેખાતાં રહે, કોઈપણ સંજોગોમાં બ્રહ્મચર્ય ના ભૂલે, એવી ઉત્કૃષ્ટ દશામાં આવે ત્યારે અબ્રહ્મચર્યની ગાંઠો તૂટવા માંડે. બ્રહ્મચર્યની જાગૃતિ એટલી બધી વર્તતી હોય કે વિષયનો એક પણ વિચાર, વિષય તરફ એક ક્ષણ પણ ચિત્તનું ખેંચાણ તેની જાગૃતિની બહાર જતું નથી, ને તેમ થતાં તત્ક્ષણે પ્રતિક્રમણ થઈ તેનું કોઈ સ્પંદન રહે નહીં, એટલું જ નહીં પણ સામાયિકમાં તે દોષનું ઊંડેથી વિશ્લેષણ થઈ જડમૂળથી ઉખેડવાની પ્રક્રિયાઓ ચાલતી રહે, ત્યારે વિષયબીજ નિર્મૂલનના યથાર્થ માર્ગે પ્રયાણ થાય. બ્રહ્મચર્યનો નિશ્ચય દ્રઢ થઈ જાય, ને ધ્યેય જ બની જાય, પછી તે ધ્યેયને નિરંતર ‘સિન્સીયર’ રહ્યે, ધ્યેયે પહોંચવાના સંયોગો સહેજા સહેજ સામે આવતા જાય છે. ધ્યેય પકડાયા પછી ‘જ્ઞાની પુરુષ’ના વચનો પોતાને આગળ લઈ જાય છે, અગર તો ગબડવાની પરિસ્થિતિમાં એ વચનો ધ્યેયને ધરી રાખવામાં સહાયરૂપ બની જાય છે. એમ કરતાં કરતાં અંતે પોતે જ ધ્યેય સ્વરૂપ બને છે. ત્યારે પછી ગમે તેવા ડગાવે તેવાય, અંદરના કે બહારના જબરદસ્ત વિચિત્ર સંયોગો આવે, છતાં જેનો નિશ્ચય ડગતો (પા. ૮)નથી, જે નિશ્ચયને જ ‘સિન્સીયર’ વર્તે છે તેને વાંધો નથી આવતો. શુદ્ધ બ્રહ્મચર્ય પાળવા ‘જ્ઞાની પુરુષ’નું સાન્નિધ્ય, તથા બ્રહ્મચારીઓનો સંગ અતિ અતિ આવશ્યક છે. એ વિના ગમે તેટલી સ્ટ્રોંગ ભાવના હશે તોય સિદ્ધિ સુધી પહોંચવામાં અનેકાનેક અંતરાયો આવી પડે તેમ છે ! ‘જ્ઞાની પુરુષ’ના સતત માર્ગદર્શન હેઠળ સાધક, માર્ગમાં આવતી પ્રત્યેક મૂંઝવણો પાર કરી જઈ શકે છે ! વળી ગૃહસ્થીઓના સંગ અસરથી અળગો રહી, બ્રહ્મચારીઓના જ વાતાવરણમાં પોતાના ધ્યેયને ઠેઠ સુધી વળગી રહી ધ્યેયને પ્રાપ્ત કરી લે છે. ‘જ્ઞાની પુરુષ’ના ઉપદેશને ગ્રહણ કરી બ્રહ્મચર્યના દ્રઢ નિશ્ચયમાં આવી ગયેલો સાધક, બ્રહ્મચારીઓના સંગબળથી પણ તરી જઈ શકે તેમ છે ! બ્રહ્મચર્યની ભાવના જાગૃત થવી, તેમ જ તેના માટેનો નિશ્ચય દ્રઢ થવો, તે માટેનું સતત માર્ગદર્શન મળી રહે, એ તો અત્યંત આવશ્યક છે, પણ બ્રહ્મચર્યની સર્વ રીતે ‘સેફ સાઈડ’ રહે તે માટેની પોતાની મહીંલી જાગૃતિ પણ એટલી જ જરૂરી છે, ‘અનસેફ’ જગ્યાએથી ‘સેફલી’ છૂટી જવાની જાગૃતિ ને તેના ‘પ્રેક્ટિકલ’માં સમયસૂચકતાની વાડ સાધક પાસે હોવી જરૂરી છે. નહીં તો દુર્લભ એવા બ્રહ્મચર્યના ઊગેલા છોડવાને બકરાં ચાવી જાય !! એક બાજુ મોતને સ્વીકારવાનું બને તો તે સહર્ષ સ્વીકારી લે, પણ પોતાની બ્રહ્મચર્યની ‘સેફ સાઈડ’ના ચૂકે, સ્થૂળ સંજોગોના ‘ક્રિટિકલ’ દબાણ વચ્ચે પણ એ વિષયના ખાડામાં ના જ પડે, બ્રહ્મચર્ય ભંગ ન જ થવા દે. એટલી હદની ‘સ્ટ્રોંગનેસ’ જરૂરી છે, અને તેના માટે જાગૃતિ લાવવી કેવી રીતે ? પોતાની બ્રહ્મચર્ય પાળવા માટેની ચોખ્ખી દાનત, તેની સંપૂર્ણ ‘સિન્સીયારિટી’થી જ એ આવે તેમ છે ! બ્રહ્મચર્યની ‘સેફ સાઈડ’ માટે આંતરિક તેમજ બાહ્ય ‘એવિડન્સ’ને સિફતથી ઉડાવવાની ક્ષમતા પ્રગટવી જરૂરી છે. આંતરિક વિકારી ભાવોને સમજણે કરીને, જ્ઞાને કરીને પુરુષાર્થથી ઓગાળે, જેમાં વિષય એ સંસારનું મૂળ છે, પ્રત્યક્ષ નર્ક સમાન છે, લપસાવનારું છે, જગત કલ્યાણના ધ્યેયને અંતરાય લાવનારું છે તેમજ ‘થ્રી વિઝન’ની જાગૃતિ અને અંતે ‘વિજ્ઞાન-જાગૃતિ’એ કરીને આંતરિક વિષયને ઉડાડે. ‘વિજ્ઞાન જાગૃતિ’માં પોતે કોણ છે ? પોતાનું સ્વરૂપ કેવું છે ? વિષયો શું છે ? તે કોનાં પરિણામ છે ? ઈ. ઈ. પૃથક્કરણના પરિણામે આંતરિક સૂક્ષ્મ વિકારી ભાવો પણ ક્ષય (પા. ૯)થાય. જ્યારે બાહ્ય સંજોગોમાં દ્રષ્ટિદોષ, સ્પર્શદોષ ને સંગદોષથી વિમુખ રહેવાની વ્યવહાર જાગૃતિ ઉત્પન્ન થવી પણ જરુરી છે. નહીં તો સહેજ જ અજાગૃતિ વિષયના ક્યા ને કેટલા ઊંડા ખાડામાં નાખી દે, તે કોઈથી કહેવાય નહીં ! વિષયનું રક્ષણ, વિષયના બીજને વારંવાર સજીવન કરે છે. ‘વિષયમાં શું વાંધો છે,’ કહ્યું કે વિષયનું થયું રક્ષણ !!! ‘વિષય તો સ્થૂળ છે, આત્મા સૂક્ષ્મ છે, મોક્ષે જતાં વિષય કંઈ નડતો નથી, ભગવાન મહાવીરેય પૈણ્યા હતા, પછી આપણને શું વાંધો છે ?’ આમ બુદ્ધિ વકીલાત કરીને વિષયનું જબરજસ્ત ‘પ્રોટેક્શન’ કરાવે. એક ફેરો વિષયનું ‘પ્રોટેક્શન’ થયું કે તેને જીવતદાન મળી ગયું ! પછી એમાંથી પાછું જાગૃતિની ટોચે જાય ત્યારે પાછો વિષયમાંથી છૂટવાના પુરુષાર્થમાં આવી શકે ! નહીં તો એ વિષયરૂપી અંધકારમાં ખેદાનમેદાન થઈ જાય, તેવો ભયંકર છે ! વિષયી સુખોની મુર્ચ્છના ક્યારેય મોક્ષે જવા ના દે તેવી છે, પરંતુ વિષયી સુખો પરિણામે દુઃખ દેનારાં જ નીવડે છે. પ્રગટ ‘જ્ઞાની પુરુષ’ થકી વિષયી સુખોની (!) યથાર્થતા ખુલ્લી થાય છે, તે ઘડીએ જાગૃતિમાં આવી જઈને એને સાચા સુખની સમજ ઉત્પન્ન થાય તથા વિષયી સુખમાં અસુખની ઓળખાણ પડે. પરંતુ પછી ઠેઠ સુધી ‘જ્ઞાની પુરુષ’ની દ્રષ્ટિએ વર્તી વિષય બીજ નિર્મૂળ કરવાનું છે. એ પંથે સર્વ પ્રકારે ‘સેફ સાઈડ’ સાચવીને તરી પાર નીકળી ગયેલા એવા ‘જ્ઞાની પુરુષે’ દર્શાવેલા રાહે જ પ્રવર્તી સાધકે, એ સાધ્ય સિદ્ધ કરવાનું રહે છે. જેને આત્માનું સ્પષ્ટવેદન આ દેહે જ અનુભવવું હોય, તેને વિશુદ્ધ બ્રહ્મચર્ય વિના આની પ્રાપ્તિ શક્ય જ નથી. જ્યાં સુધી વિષયમાં સુખ છે એવી સૂક્ષ્માતિસૂક્ષ્મ ‘રોંગ બિલીફ’ છે ત્યાં સુધી વિષયના પરમાણુ સંપૂર્ણપણે નિર્જરી જતા નથી. એ ‘રોંગ બિલીફ’ સંપૂર્ણ-સર્વાંગપણે ઊડે ત્યાં સુધી જાગૃતિ અતિ અતિ સૂક્ષ્મપણે રાખવી ઘટે. સહેજ પણ ઝોકું આવી જાય તે પૂરેપૂરી નિર્જરા થવામાં આંતરો નાખે છે. વિષય હોવો જ ના જોઈએ. આપણને વિષય કેમ રહે ? અગર તો ઝેર પીને મરીશ પણ વિષયના ખાડામાં નહીં જ પડું. એવા અહંકારે કરીનેય વિષયથી વિખૂટા પડવા જેવું છે. એટલે ગમે તે રસ્તે છેવટે અહંકાર (પા. ૧૦)કરીનેય આ વિષયથી છૂટવા જેવું છે. અહંકારથી બ્રહ્મચર્ય પકડાય છે, જેના આધારે ઘણો ખરો સ્થૂળ વિષયભાગ જીતી જવાય છે ને પછી સૂક્ષ્મતાએ ‘સમજ’ સમજી કરીને અને આત્મજ્ઞાનના આધારે વિષયથી સંપૂર્ણપણે સર્વાંગપણે મુક્તિ મેળવી લેવાની છે. નિર્વિકારી દ્રષ્ટિ વેદી નથી ત્યાં સુધી ક્યાંય દ્રષ્ટિ મિલાવવી એ ભયંકર જોખમ છે. તેમ છતાં જ્યાં જ્યાં દ્રષ્ટિ બગડે, મન બગડે, ત્યાં ત્યાં તે વ્યક્તિના શુદ્ધાત્માનાં દર્શન કરી, પ્રગટ ‘જ્ઞાની પુરુષ’ને સાક્ષીમાં રાખીને મનથી, વાણીથી કે વર્તનથી થયેલા વિષય સંબંધી દોષનો ખૂબ ખૂબ પસ્તાવો કરવો, ક્ષમા પ્રાર્થવી ને ફરી ક્યારેય એવો દોષ ના થાય એવો દ્રઢ નિશ્ચય કરવો. આમ યથાર્થપણે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન થાય તો વિષયદોષથી મુક્તિ થાય. જ્યાં વધારે બગાડ થતો હોય ત્યાં તે વ્યક્તિના જ શુદ્ધાત્મા પાસે મનમાં બ્રહ્મચર્યની શક્તિઓ માંગ માંગ કરવી પડે ને જ્યાં ખૂબ જ ચીકણું હોય ત્યાં કલાકોના કલાકો પ્રતિક્રમણ કરી ધો ધો કરવું પડે તો એવા વિષયદોષથી છૂટાય. સામાયિકમાં આજ દિન સુધી પૂર્વે જ્યાં જ્યાં, જ્યારે જ્યારે થયેલા પ્રત્યેક વિષય સંબંધી દોષોને આત્મભાવમાં રહીને જાગૃતિપૂર્વક જોઈ તેનું યથાર્થ પ્રતિક્રમણ કરી નાખવાનું હોય છે, ત્યારે એ દોષોથી મુક્તિ થાય. આખા દિવસ દરમિયાન થયેલાં અલ્પ પણ વિચારદોષ કે દ્રષ્ટિદોષનું પ્રતિક્રમણ કરી તથા તે દોષનું, વિષયના સ્વરૂપનું, તેનાં પરિણામનું, તેની સામેની જાગૃતિનું, ઉપાયોનું પૃથક્કરણ સામાયિકમાં થાય. ખરેખર તો વિષયદોષનાં પ્રતિક્રમણ ‘શૂટ ઓન સાઈટ’ કરવાં જ જોઈએ. છતાં અજાગૃતિમાં રહી ગયેલું અગર તો ઉતાવળમાં અધૂરું થયેલું, અગર તો ઊંડાણપૂર્વકનું ‘એનાલિસીસ’ સામાયિકમાં સ્થિરતાથી સંપૂર્ણપણે થાય ત્યારે એ દોષો ધોવાય. વિષયની ગાંઠો જ્યારે ફૂટ્યા કરતી હોય, ચિત્ત વિષયમાં ખોવાયેલું ને ખોવાયેલું જ રહે, બાહ્ય સંયોગો પણ વિકારને ઉત્તેજિત કરનારા મળે, એવા સમયે ક્યારેક શ્રુતજ્ઞાન પણ કામ લાગે નહીં, ત્યારે ત્યાં તો ‘જ્ઞાની પુરુષ’ પાસે પ્રત્યક્ષમાં જ મૂંઝવણોની આલોચના કરે, પ્રતિક્રમણ કરે, (પા. ૧૧)પ્રત્યાખ્યાન કરે તો જ ઉકેલ આવે ! વિષય રોગ આખોય કપટના આધારે ટકેલો છે, અને કપટને કોઈની પાસે ખુલ્લું કરી દેવામાં આવે તો વિષય નિરાધાર બની જાય ! નિરાધાર વિષય પછી કેટલું ખેંચી શકે ? વિષયને નિર્મૂળ કરવા માટે ‘આ’ મોટામાં મોટી, પાયાની ને અતિ મહત્ત્વની વાત છે. વિષય સંબંધી ગમે તેટલો ભયંકર દોષ થયો હોય પણ તેની ‘જ્ઞાની પુરુષ’ પાસે આલોચના થાય તો દોષથી છૂટી જવાય ! કારણ કે આમાં પાછલા ગુનાઓ જોવાતા નથી, તેનો નિશ્ચય જોવાય છે ! વિષયમાંથી છૂટવાની જે તમન્ના જાગૃત થાય છે તે ઠેઠ સુધી ટકે, તો તે તમન્ના જ વિષયમાંથી મુક્ત કરાવડાવે છે. બ્રહ્મચર્ય અખંડ પાળવાનો ધ્યેય, તેમાં બ્રહ્મચર્યની આવશ્યકતા, બ્રહ્મચર્યની સિદ્ધિના પરિણામે પ્રાપ્ત થતી આત્મસિદ્ધિની પરાકાષ્ઠા, આત્માનો સ્પષ્ટ અનુભવ, આત્મસુખનું સ્પષ્ટ વેદન, ઈ. ઈ. નિરંતરની ચિંતવના વિષયની ભ્રાંત માન્યતાઓથી મુક્ત કરાવી સાચું દર્શન ફીટ કરાવે છે. આવાં ચિંતવનોપૂર્વકની સામાયિક વારંવાર કરવી ઘટે, તો દરેક વખતે નવું ને નવું જ દર્શન થયા કરે ને પરિણામે ધ્યેય સ્વરૂપ થવાય તેમ છે. પોતાનું સ્વરૂપ શુદ્ધાત્મા છે કે જે સૂક્ષ્મતમ છે ને વિષય માત્ર સ્થૂળ છે. સ્થૂળને સૂક્ષ્મ કઈ રીતે ભોગવે ? આ તો અહંકારથી વિષય ભોગવે છે ને આરોપણ આત્મા પર જાય છે ! કેવી ભ્રાંતિ !!! ‘આત્મા સૂક્ષ્મતમ છે ને વિષયો સ્થૂળ છે. સૂક્ષ્મતમ આત્મા સ્થૂળને કઈ રીતે ભોગવી શકે ? ‘જ્ઞાની પુરુષ’ના આ વૈજ્ઞાનિક વાક્યને, પોતાના સૂક્ષ્મતમ સ્વરૂપમાં જ નિરંતર અનુભવપૂર્વક રહેવાની દશાએ પહોંચ્યા સિવાય વાપરવા માંડે, તો સોનાની કટાર પેટમાં ઘોંચવા જેવી દશા થાય ! આ વાક્યનો ઉપયોગ જાગૃતિની પરમ સીમાએ પહોંચેલા માટે છે, અને એવી જાગૃતિએ પહોંચેલાને સ્થૂળ સૂક્ષ્મ વિષયો તો સહેજેય ખરી પડેલા હોય ! વિષયોની બહાર નીકળ્યા વગર આ વાક્ય પોતે ‘એડજસ્ટ’ કરી લે તેનાં જોખમ તો ‘પોતે વિષયથી પકડાયેલો છે, તેનાથી છૂટવા મથે છે’ એમ સ્વીકારી લેનારા કરતાં ઘણું ઘણું વધારે છે. ‘અક્રમ વિજ્ઞાન’ થકી જે જાગૃતિ ઉત્પન્ન થાય છે, તેના થકી વિષયો સંપૂર્ણ જીતી શકાય તેમ છે. વિષયનો વિચાર પણ ના આવે, વિષયમાં (પા. ૧૨)સહેજ પણ ચિત્ત ના જાય, ત્યાં સુધીની શુદ્ધિ આ વિજ્ઞાનથી થાય તેમ છે. એમાં ‘જ્ઞાની પુરુષ’ની કૃપા તો ખરી અને એ પણ વિશેષ વિશેષ કૃપા જ ખૂબ ખૂબ મોટો ભાગ ભજવે છે. સાધકને તો વિષયથી છૂટવું જ છે એવો દ્રઢ નિશ્ચય જ આમાં જોઈએ છે. બાકી ‘જ્ઞાની પુરુષ’નું વચનબળ તથા ‘જ્ઞાની પુરુષ’ની વિશેષ કૃપા થકી અખંડ શુદ્ધ બ્રહ્મચર્ય આવા કાળમાં પણ પાળી શકાય છે ! હવે છેલ્લે, ‘જ્ઞાની પુરુષ’ની આ શીલ સંબંધી વાણી જુદા જુદા નિમિત્તાધીન, જુદે જુદે ક્ષેત્રે, સંયોગાધીન નીકળેલી છે. તે સર્વે વાણી એકત્રિતપણે અત્રે સંકલિત થઈ આ ‘સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય’ ગ્રંથ બન્યો છે. આવા દુષમકાળના વિકરાળ મહા મહા મોહનીય વાતાવરણમાં ‘બ્રહ્મચર્ય’ સંબંધમાં અદ્ભુત વિજ્ઞાન જગતને આપવું એ સોનાની કટાર જેવું સાધન છે અને તેનો સદુપયોગ અંતે આત્મકલ્યાણકારી થઈ પડે તેવું છે. વાચકને તો અત્યંત વિનંતી એટલી જ કરવાની રહી કે સંકલનામાં કોઈ પણ પ્રકારે ભાસતી ક્ષતિઓ પ્રત્યે ક્ષમા પ્રાર્થના બક્ષી આ અદ્ભુત ગ્રંથનું સમ્યક્ આરાધન કરે ! - ડૉ. નીરુબેન અમીનના જય સચ્ચિદાનંદ (પા. ૧૩)ઉપોદ્ઘાતખંડ : ૧ વિષયનું સ્વરૂપ, જ્ઞાની દ્રષ્ટિએ૧. વિશ્લેષણ, વિષયનાં સ્વરૂપનું !વિષય કોને કહેવાય ? જેમાં લુબ્ધમાન થાય ત્યારે તે વિષય કહેવાય. બીજું બધું જરૂરિયાત કહેવાય. ખાવું, પીવું એ વિષય નથી. વિષયનાં કીચડમાં કેમ ઝંપલાવે છે તે જ સમજાતું નથી. પાંચ ઈન્દ્રિયના કીચડમાં મનુષ્ય એટલે કે ઐશ્વર્ય પામેલો જે ઈશ્વર કહેવાય, તે કેમ પડ્યો છે ?! જાનવરોય આને પસંદ નથી કરતા. મહાવીર ભગવાને બ્રહ્મચર્ય એ પાંચમું મહાવ્રત આ કાળના મનુષ્યોને શા માટે આપ્યું ? કારણ આ કાળના લોકો વિષયનું આવરણ એટલું ભારે લઈને આવેલા છે કે તેમને તેના બેભાનપણામાંથી બહાર કાઢી મોક્ષે લઈ જવા, આ પાંચમું મહાવ્રત વધારાનું આપ્યું ! વિષય એ વિકૃતિ છે ! મનને બહેલાવવાનું સાધન બનાવ્યું છે! આખો દહાડો તાપમાં તપેલી ભેંસો ગંદી ગારવતામાં શા માટે પડી રહે છે ? ઠંડકની લાલચે દુર્ગંધને ભૂલી જાય છે ! તેમ આજના મનુષ્યો આખા દહાડાની દોડધામના થાકથી કંટાળીને, નોકરી-ધંધો કે ઘરનાં ટેન્શનમાં, માનસિક તણાવ ખૂબ ભોગવતા, બળતરામાંથી ડાયવર્ટ થવા વિષયના કાદવમાં કૂદે છે અને એનાં પરિણામો ભૂલી જાય છે ! વિષય ભોગવ્યા પછી ભલભલો ભડવીર મડદા જેવો થઈ જાય છે ! શું કાઢ્યું એમાંથી ? વિષયને ઝેર છે એમ જાણ્યા પછી કોઈ એને અડે ? જગતમાં ભય રાખવા જેવું જે કંઈ હોય તો તે આ વિષય જ છે ! આ સાપ, વીંછી, વાઘ, સિંહથી કેવા ભય પામે છે ? વિષય તો એથીય વધુ વિષમય છે ! જેનો ભય સેવવાનો છે તેને જ લોક પરમ સુખ માનીને માણે છે ! વિપરીત મતિની પરિમિતિ ક્યાં ? અનંત અવતારની કમાણીમાં ઊંચું ઉપાદાન લઈને આવે મોક્ષ માટે, તે વિષયની પાછળ પલવારમાં ખોઈ નાખે !!! અરેરે ! હે માનવ ! તારી (પા. ૧૪)સમજણ કેવી રીતે આવરાઈ ?! માણસ નિરાલંબ રહી શકતો નથી. નિરાલંબ તો એકલા જ્ઞાની પુરુષ જ રહી શકે ! એ સિવાયના ઈતર લોકો બુદ્ધિના આશયમાં સ્ત્રી, પુત્રાદિના ટેન્ડર ભરીને જ લાવે જેથી એના વિના એને ચાલે ના ! માંગી હતી માત્ર સ્ત્રી, પણ જોડે જોડે આવ્યાં સાસુ, સસરા, સાળા, સાળી, મામા સસરા, કાકા સસરા. મોટું લંગર લાગ્યું ! ‘અલ્યા, મેં તો એક સ્ત્રી જ માગી હતી ને આ લશ્કર ક્યાંથી આવ્યું ?!’ ‘અલ્યા, સ્ત્રી કંઈ ઉપરથી ટપકીને આવે છે ! એ આવે એટલે જોડે જોડે આ લશ્કર આવે જ ને ! તને ખબર નહતી ?’ આનું નામ બેભાનપણું ! પરિણામનો વિચાર જ ના હોય કે એક વિષયની પાછળ કેટલાં લાંબા લશ્કરની લાઈન લાગે છે !!! અને ઘાણીના બળદની જેમ આખી જિંદગી જાય છે એની પાછળ ! કોઈએ સાચું શીખવાડયું જ નથી. નાનપણથી જ મા-બાપ કે વડીલો મગજમાં ઘાલ ઘાલ કરે છે કે વહુ તો આવી લાવીશું ને પૈણ્યા વગર તો ચાલે જ નહીં અને વંશવેલો તો ચાલુ રહેવો જોઈએ. આત્મસુખ ચાખ્યા પછી વિષય સુખ મોળાં લાગે, જલેબી ખાધા પછી ચા કેવી લાગે ? જીભનો વિષય ‘ઓકે’, કરાય પણ બીજામાં તો કંઈ બરકત જ નથી, માત્ર કલ્પનાઓ જ છે બધી ! ધૃણા ઉપજાવે એવી વસ્તુ છે વિષય ! વિષય ભોગવવાં પાંચેય ઈન્દ્રિયમાંથી કોઈને આ ગમતું નથી. આંખને જોવું ના ગમે, તેથી અંધારું કરી નાખે. નાકનેય જરાય ના ગમે. જીભની તો વાત જ શું કરવી ? ઊલટું ઊલટી થાય એવું હોય. સ્પર્શેય કરવાનું ના ગમે, છતાં સ્પર્શસુખ માને છે ! કોઈને પસંદ નથી છતાં ક્યા આધારે વિષય ભોગવે છે એ જ અજાયબી છે ને ?! લોકસંજ્ઞાથી જ એમાં પડ્યા છે ! વિષય એ સંડાસ છે, ગલન છે ! આમાં પણ તન્મયાકાર થઈ જાય છે માટે એનાં કૉઝીઝ નવા પડે છે ! વિષયનું પૃથ્થકરણ કરે તો તે ખરજવાને ખંજવાળવા જેવું છે ! અરેરે ! અનંત અવતાર આનું આ જ કર્યું ?!! આ ગટરને કેમ કરીને ઊઘાડાય ? નરી દુર્ગંધ, દુર્ગંધ ને દુર્ગંધ !!! શ્રીમદ્ રાજચંદ્રે વિષયને (પા. ૧૫)વમન કરવા યોગ્ય જગ્યા નથી એમ કહ્યું છે ! થૂંકવા જેવું નથી ત્યાં ! વિષય બુદ્ધિથી નથી, મનના આમળાથી છે, માટે બુદ્ધિથી એને દૂર કરી શકાય એમ છે. ડુંગળીની ગંધ કોને આવે ? જે ના ખાતો હોય તેને ! આહારી આહાર કરે છે તેમ વિષયી વિષય કરે છે ! પણ એ લક્ષમાં રહેવું જોઈએ ને ? પણ અજ્ઞાનતાના આવરણને લઈને લક્ષમાં રહેતું નથી. ચાર દહાડાનો ભૂખ્યો, લીંટવાળો રોટલોય ખઈ જાય ! આજકાલ તો મનુષ્યો એટલા ગંધાતા હોય છે કે આપણું માથું ફાટી જાય જો જરાક નજીક આવ્યા હોય તો ! તેથી આ બધા પરફયુમ્સ છાંટતા હોય છે ચોવીસેય કલાક ! વિષયમાં સુખ હોત તો ચક્રવર્તી રાજાઓ આટલી બધી રાણીઓ હોવા છતાં બધું છોડીને સાચા સુખની શોધમાં ના નીકળી પડ્યા હોત ! જીવન શાના માટે છે ? સંસાર માંડીને મરવા માટે ?! સુખ માટે કે જવાબદારીઓ ઊભી કરી બિમારીઓ નોતરવા માટે ? આટલું ભણ્યા ગણ્યા પણ ભણતરનો ઉપયોગ શું ? મેનટેનન્સ માટે જ ને ? આ એન્જીન પાસેથી શું કામ કઢાવવું છે ? કંઈ હેતુ તો હોવો જોઈએ ને ? આ મનુષ્યભવનો હેતુ શું ? મોક્ષ ! પણ આપણી દિશા કઈ ને ચાલી રહ્યા ક્યાં ?!!! આ વાગ્યું હોય ને લોહી વહી જતું હોય તો આપણે એને બંધ શા માટે કરીએ છીએ ? ના બંધ કરીએ તો ? તો તો વીકનેસ આવી જાય ! તેમ આ વિષય બંધ નહીં થવાથી શરીરમાં બહુ વીકનેસ આવી જાય છે ! બ્રહ્મચર્યને પુદ્ગલસાર કહ્યો ! માટે એને સાચવો ! માટે કરકસર કરો વીર્ય અને લક્ષ્મીની ! ખોરાક ખાઈને તેનો અર્ક થઈ વીર્ય થાય છે જે અબ્રહ્મચર્યથી ખલાસ થઈ જાય છે. માટે બ્રહ્મચર્ય સેવો ! જે બ્રહ્મચર્યથી મોક્ષ થાય તે કામનું. આ અક્રમ વિજ્ઞાન પૈણેલાંઓનેય મોક્ષે લઈ જાય તેવું છે ! જેને પહેલેથી જ બ્રહ્મચર્ય પાળવાની ભાવના હોય તેણે દાદા પાસે શક્તિ માંગવી, ‘હે દાદા ભગવાન મને બ્રહ્મચર્ય પાળવાની શક્તિ આપો.’ વિષયનો વિચાર આવતાં જ તત્ક્ષણે જ ઉખેડીને ફેંકી દેવાનો. કોઈ સ્ત્રી (પા. ૧૬)પ્રત્યે દ્રષ્ટિ માંડવી નહીં. દ્રષ્ટિ ખેંચાય કે તરત જ ખસેડી લેવી અને પ્રતિક્રમણ શૂટ ઑન સાઈટ કરી લેવું. વિષય જોઈએ જ નહીં એવો નિશ્ચય નિરંતર રહેવો જોઈએ અને પ્રખર આત્મસ્થ જ્ઞાની પુરુષની નિશ્રામાં રહીને એમાંથી છૂટી જવાય ! હરૈયા ઢોરની જેમ જીવવું તેના કરતાં એક ખીલે બંધાવું સારું. દ્રષ્ટિ ઠેર ઠેર ના બગડવી જોઈએ. સ્ત્રી એ પુરુષનું સંડાસ છે ને પુરુષ એ સ્ત્રીનું સંડાસ છે. સંડાસમાં શું મોહ રાખવાનો હોય ? બ્રહ્મચર્યનો નિશ્ચય કરતાં કરતાં જાતને ખૂબ ચકાસી જોવી પડે. તાવવી પડે. જો ના પહોંચી વળાય એવું હોય તો પૈણી જવું ઉત્તમ, પણ પછીય કંટ્રોલપૂર્વકનું હોવું જોઈએ. બ્રહ્મચર્ય આત્મસુખ માટે કેવી રીતે મદદ કરે ? બહુ મદદ કરે. અબ્રહ્મચર્યથી તો દેહબળ, મનોબળ, બુદ્ધિબળ, અહંકારબળ બધુંય ખલાસ થઈ જાય ! જ્યારે બ્રહ્મચર્યથી આખું અંતઃકરણ સુદ્રઢ થઈ જાય ! બ્રહ્મચર્ય પળાય તો ઉત્તમ ને ના પળાય તો અબ્રહ્મચર્ય એ ખોટું છે, એવું જાણે તોય બહુ થઈ ગયું. બ્રહ્મચર્ય મહાવ્રત વર્ત્યું તેને કહેવાય. વિષય જેને યાદેય નથી આવતો, બ્રહ્મચર્ય કે અબ્રહ્મચર્યનો જેને અભિપ્રાય નથી રહ્યો તેને વ્રત વર્ત્યું કહેવાય. બાકી આત્મા તો સદા બ્રહ્મચર્યવાળો જ છે. આત્માએ વિષય ક્યારેય ભોગવ્યો નથી. આત્મા સૂક્ષ્મતમ છે અને વિષય સ્થૂળ છે. માટે સ્થૂળને સૂક્ષ્મ ભોગવી જ ના શકે ! પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, ‘આ જ્ઞાન પછી વિષયનો ક્યારે મને વિચારેય નથી આવ્યો !’ ત્યારે જ આવું વિષય રોગને ઉખેડીને ખલાસ કરી નાખે એવી વાણી નીકળી છે ! ૨. વિકારોથી વિમુક્તિની વાટ...અક્રમ માર્ગમાં વિકારી પદ જ નથી. પોલીસવાળો જેમ પકડીને કરાવે એના જેવું હોય. સ્વતંત્ર મરજીથી ના હોય. વિષય છે ત્યાં ધર્મ નથી. નિર્વિકાર હોય ત્યાં જ ધર્મ છે ! કોઈ ધર્મે વિકારનો સ્વીકાર કર્યો નથી. હા, કોઈક વામમાર્ગી હોય. (પા. ૧૭)બ્રહ્મચર્ય એ તો ગતભવની ભાવનાના પરિણામરૂપે કો’ક મહા મહા પુણ્યશાળી મહાત્માને પ્રાપ્ત થાય. બાકી સામાન્યપણે તો અબ્રહ્મચર્ય જ ઠેર ઠેર જોવા મળે ! જેને ભૌતિક સુખોની વાંછના છે, તેણે તો પરણવું જ જોઈએ અને જેને ભૌતિક નહીં પણ સનાતન સુખ જ જોઈએ તેણે પૈણવું નહીં. તેણે બ્રહ્મચર્ય મન-વચન-કાયાથી પાળવું જોઈએ. ભગવાન મેળવવા વિકારમુક્ત થવું પડે ને વિકારમુક્ત થવા શું સંસારમુક્ત થવું પડે ? ના. મન તો જંગલમાં જાય તોય જોડે ને જોડે જ જવાનું ! એ કંઈ છોડવાનું છે ? જો જ્ઞાની પુરુષ મળી જાય તો નિર્વિકાર સ્હેજે રહેવાય. તૃષ્ણા એનું નામ કે ભોગવ્યે તો વધતી જ જાય ને ના ભોગવે તો મટી જાય ! તેથી બ્રહ્મચર્યની શોધખોળ થઈ છે ને વિકારથી મુક્ત થવા ! વિષયી કોણ ? ઈન્દ્રિયો કે અંતઃકરણ ? પાડો કોણ ને પખાલી કોણ ? સામાન્ય પણે ઈન્દ્રિયોનો દોષ ગણાય ! ખસી કરવાથી કંઈ વિષય છૂટે ? ‘તારી દાનત કેવી છે વિષયમાં ?’ ચોર દાનતથી જ વિષય ટક્યો છે ! જ્ઞાનથી બધું જતુ રહે ! વિષયનો વિચાર સરખોય ન રહે ! મનનો સ્વભાવ કેવો ? વરસ, બે વરસ કોઈ વસ્તુથી વેગળા રહ્યા કે એ વસ્તુ વિસરાઈ જાય, કાયમને માટે ! વામમાર્ગી શું શીખવાડે કે જે વસ્તુ ધરાઈને ભોગવી લો તો જ તેનાથી છૂટાય ! વિષયની બાબતમાં ઊલટું વધારે સળગતું જાય. દારૂની બાબતમાં ધરાવો થઈને છૂટાય ? વિષયની બાબતમાં કંટ્રોલ કરવા જાય તો તે વધારે ઉછળે છે. મનને જાતે કંટ્રોલ કરવા જાય તો નથી થાય તેવું. કંટ્રોલર જ્ઞાની હોવા જોઈએ. ખરેખર તો મનને આંતરવાનું નથી. મનના કારણોને આંતરવાના છે. મન તો પોતે એક પરિણામ છે. એ ના બદલાય. કારણ બદલાય. ક્યા કારણે મન વિષયમાં ચોંટ્યું છે તે ખોળી કાઢી તેનાથી છૂટાય. જ્ઞાનીઓ વસ્તુને વાસના નથી કહેતા, રસને વાસના કહે છે. આત્મજ્ઞાન પછી વાસનાઓ ઊડી જાય છે. સ્ત્રી તરફની વાસનાઓ કેમ જતી નથી ? જ્યાં સુધી ‘હું પુરુષ છું’ (પા. ૧૮)પેલી સ્ત્રી છે, એવી માન્યતા છે ત્યાં સુધી વાસનાઓ છે. એ માન્યતા જાય એટલે વાસનાને ગયે જ છૂટકો ! એ માન્યતા જાય કેવી રીતે ? જેને વાસનાઓ છે તેનાથી તમે પોતે જુદાં જ છો, પોતે કોણ છો એવું જ્ઞાન થાય, ભાન થાય, તો જ તે છૂટે ! અને જ્ઞાનીની કૃપાથી જ્ઞાન થઈ શકે ! ૩. માહાત્મ્ય, બ્રહ્મચર્યનુંબ્રહ્મચર્ય ના પળાય તો કંઈ નહીં, પણ તેના વિરોધી તો ના જ થવું જોઈએ. અધ્યાત્મ માર્ગમાં બ્રહ્મચર્ય એ મોટામાં મોટું તેમ જ પવિત્રમાં પવિત્ર સાધન છે ! અણસમજણથી અબ્રહ્મચર્ય ટક્યું છે. જ્ઞાનીની સમજણે સમજી લેવાથી એ અટકે છે. વ્યવહારમાં પણ મન-વાણી ને દેહ નોર્માલિટીમાં રહે, તેથી બ્રહ્મચર્ય આવશ્યક કહ્યું છે. આયુર્વેદ પણ એમ જ સૂચવે છે ! છ જ મહિના જો મન-વચન અને કાયાથી બ્રહ્મચર્ય પાળે તો મનોબળ, વચનબળ તેમ જ દેહમાં પણ જબરજસ્ત ફેરફાર થઈ જાય છે ! અબ્રહ્મચર્યથી ઘણાં બધાં રોગો ઉત્પન્ન થાય છે. એમાં મન ને ચિત્ત તો ફ્રેકચર થઈ જાય છે ! કેટલાંક માનસશાસ્ત્રીઓ કહે છે કે વિષય બંધ થાય જ નહીં, છેક સુધી. પણ દાદાશ્રી શું કહે છે કે વિષયનાં અભિપ્રાય બદલાય કે પછી વિષય રહેતો જ નથી. જ્યાં સુધી અભિપ્રાય બદલાય નહીં ત્યાં સુધી વીર્યનું ઊર્ધ્વગમન થાય જ નહીં. અક્રમમાર્ગમાં તો ડિરેક્ટ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, તે જ ઊર્ધ્વગમન છે ! જ્ઞાની પુરુષ સંપૂર્ણ નિર્વિષયી બનેલા હોય, તેથી તેમનામાં જબરજસ્ત વચનબળ પ્રકટ થયું હોય જે વિષયનું વિરેચન કરાવે. વિષયનું વિરેચન ના કરાવતાં હોય તો એ ‘જ્ઞાની પુરુષ’ જ નથી. સામાની ઈચ્છા જોઈએ. ખંડ : ૨ ‘ના પરણવાનાં’ નિશ્ચયી માટેની વાટ...૧. વિષયથી કઈ સમજણે છૂટાય ?અક્રમ વિજ્ઞાન બ્રહ્મચર્યમાં થોડા જ વખતમાં સેફસાઈડ કરી નાખે તેવું છે. ક્યા અવતારમાં અબ્રહ્મચર્યનો અનુભવ નથી કર્યો ? કૂતરાં, બિલાડાં, પશુ, પંખી, મનુષ્યો બધાંએ ક્યારે નથી કર્યો ? આ એક અવતાર (પા. ૧૯)બ્રહ્મચર્યનો અનુભવ તો કરી જુઓ !!! એની ખુમારી, એની મુક્તતા, નિર્બોજતા તો માણી જુઓ ! બ્રહ્મચર્યનો નિશ્ચય થવો એ જ બહુ મોટી વસ્તુ છે ! બ્રહ્મચર્યના દ્રઢ નિશ્ચયીને દુનિયામાં કોઈ કશું નામ દેનાર નથી ! બ્રહ્મચર્યનો નિશ્ચય દેખાદેખી, તાનમાંને તાનમાં તાનના માર્યા કે ભડકાટથી થાય તેમાં દમ ના હોય ! એ ગમે ત્યારે લપસાવી પાડે. સમજણથી અને મોક્ષના ધ્યેય માટે કરવાનો છે અને એ નિશ્ચયને વારે વારે મજબૂત કરવાનો અને જ્ઞાની પાસે નિશ્ચય મજબૂત કરાવવો અને વારેવાર બોલાવવું, ‘હે દાદા ભગવાન હું બ્રહ્મચર્ય પાળવાનો નિશ્ચય મજબૂત કરું છું. મને નિશ્ચય મજબૂત કરવાની શક્તિ આપો.’ તો તે મળે જ. જેનાં નિશ્ચય ડગે નહીં. તેનું સફળ થાય જ ને નિશ્ચય ડગે કે ભૂતાં પેસી જાય ! બ્રહ્મચર્યનો દ્રઢ નિશ્ચય ધારણ થયા પછી સાધકને વારેવારે એક પ્રશ્ન મૂંઝવતો હોય છે કે મહીં વિષયના વિચાર તો આવે છે. તેના માટે દાદાશ્રી માર્ગ બતાવે છે કે, વિષયના વિચારો આવે તેનો વાંધો નથી, પણ વિચારો જે આવે છે તેને જોયા કરો અને એના અમલમાં ‘તમે’ ના ભળો, એ કહે ‘સહી કરો !’ તોય આપણે સ્ટ્રોંગ્લી ના પાડી દેવી !! એને જોયાં જ કરવાના. આ છે મોક્ષનો ચોથો પાયો તપ ને પછી તેનાં પ્રતિક્રમણ કરાવવાના. મન-વચન-કાયાથી જે જે વિકારી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ, એ બધાં દોષોનું પ્રતિક્રમણ કરવું પડે. વિષયના વિચારથી છૂટે તો કેવો આનંદ આનંદ થઈ જાય છે, તો પછી એનાથી કાયમ છૂટે તો કેટલો બધો આનંદ રહે ?!!! અબ્રહ્મચર્યનાં વિચારોની સામે બ્રહ્મચર્યની શક્તિઓ જ્ઞાની પાસે માંગ માંગ કરે એટલે બે-પાંચ વર્ષે એવાં ઉદય આવી જાય. જેણે અબ્રહ્મચર્ય જીત્યું તેણે આખું જગત જીત્યું ! સર્વે દેવદેવીઓ ખૂબ ખૂશ રહે ! વિષયના વિચારો આવે તે બે પાંદડે ફૂટે તે પહેલાં જ ઉખેડીને ફેંકી દો ! કૂપણથી આગળ બે પાંદડા સુધી વિચારો ફૂટીને ફાલવા ના જોઈએ. ત્યાં જ તુર્ત જ ઉખેડીને ફેંકી દેવા પડે તો જ છૂટાય ! અને જો એ ઊગી (પા. ૨૦)ગયું તો એની અસર આપ્યા વિના નહીં જ જાય ! વિષયની બે સ્ટેજ. એક ચાર્જ અને બીજું ડિસ્ચાર્જ. ચાર્જ બીજને ધોઈ નાખવું. રસ્તે નીકળ્યા કે ‘સીન સીનેરી’ આવે કે દ્રષ્ટિ ખેંચાયા વિના ના રહે. ત્યાં દ્રષ્ટિ માંડીએ તો દ્રષ્ટિ બગડે ને ? માટે નીચું જોઈને જ ચાલવું. તેમ છતાં દ્રષ્ટિ મંડાઈ જાય તો દ્રષ્ટિ તરત જ ફેરવી લેવી અને તરત જ પ્રતિક્રમણ કરી લેવાં એ ના ચૂકાય. બધી સ્ત્રીઓ કંઈ આકર્ષતી નથી. જેની જોડે હિસાબ મંડાયો હોય તે જ આકર્ષે. માટે તેને ઉખેડીને ફેંકી દો. કેટલાંક તો સો-સો વખત પ્રતિક્રમણ થાય ત્યારે છૂટાય. પ્રતિક્રમણ કરવા છતાંય જો વધારે પડતી દ્રષ્ટિ બગડતી હોય તો પછી ઉપવાસ કે એવો કંઈ દંડ લેવો જોઈએ. જેથી કરીને કર્મ ના બંધાય. સામાન્ય ભાવે જ જોવું. મોઢા સામે ટીકી ટીકીને ના જોવું. તેથી શાસ્ત્રમાં બ્રહ્મચર્ય પાળનારાને સ્ત્રીનો ફોટો કે મૂર્તિય જોવાની ના પાડી છે ! દેહનિદ્રા આવશે તો ચાલશે પણ ભાવનિદ્રા ના આવવી જોઈએ. આ ટ્રેન સામેથી આવતી હોય ત્યાં કોઈ ઊંઘે ? ટ્રેન તો મારે એક જ અવતાર પણ ભાવનિદ્રા મારે અનંત અવતાર ! જ્યાં ભાવનિદ્રા આવે ત્યાં તે ચોંટશે. ‘જ્યાં ભાવનિદ્રા આવે તે જ વ્યક્તિના શુદ્ધાત્મા પાસે બ્રહ્મચર્ય પાળવાની શક્તિ માંગવાની કે, ‘હે શુદ્ધાત્મા ભગવાન, મને આખા જગત જોડે બ્રહ્મચર્ય પાળવાની શક્તિઓ આપો.’ જ્યાં મીઠું લાગે ત્યાં ગમે તેટલી જાગૃતિ રાખવા જાય પણ કર્મનો ઝપાટો આવે ત્યાં બધું ભૂલાડી દે ! જ્યાં ગલગલિયાં થયાં કે તરત જ સમજી જવાનું કે અહીં ફસામણ થઈ. જેને એક આત્મા જ જોઈએ છે તેને પછી વિષય શેનો થાય ? આપણી મા પર, બેન પર દ્રષ્ટિ કેમ બગડતી નથી ? એય સ્ત્રી જ છે ને ? પણ ત્યાં ભાવ નથી કર્યો તેથી. શ્રીમદ્ રાજચંદ્રે બ્રહ્મચર્ય ઉપર ખૂબ જ સુંદર ફોડ પાડ્યા છે, પદ્યમાં. સ્ત્રીને કાષ્ટની પુતળી ગણો. વિષય જીતતાં આખું જગતનું સામ્રાજ્ય જીતાઈ જાય છે. આત્મજ્ઞાન માટે બ્રહ્મચર્ય જ પાત્રતા લાવે છે. (પા. ૨૧)આ અવતારમાં અક્રમજ્ઞાનથી વિષય બીજથી તદ્દન નિર્ગ્રંથ થઈ શકાય ? દાદાશ્રી કહે છે કે ‘હા થઈ શકાય.’ વિષયનું સ્હેજ ધ્યાન કરે કે બધું જ્ઞાન ભ્રષ્ટ થઈ જાય. મન-વચન-કાયાથી જે બ્રહ્મચર્ય પાળે તે શીલવાન કહેવાય. એના કષાયો પણ ઘણા ઘણા પાતળા પડી ગયા હોય. આપણે બ્રહ્મચર્યનું બળ રાખવાનું. વિષયની ગાંઠ એની મેળે જ છેદાયા કરે. ૨. દ્રષ્ટિ, ઊખડે થ્રી વિઝને !ચટણી જોવાની ગમે ? લોહી, માંસ જોવાનું ગમે ? ચટણી લીલા લોહીની ને માંસ, વિ. લાલ લોહીનું ! ઢાંકેલું માંસ ભૂલથી ખાઈ જવાય, પણ ઊઘાડું ?! તેમ આ દેહ એ રેશમી ચાદરથી વીંટેલું હાડ માંસ જ છે ને ? બુદ્ધિ બહારનું રૂપાળું જ દેખાડે છે. જ્યારે જ્ઞાન આરપાર, સીધું જ દેખે, આ આરપાર દ્રષ્ટિ કેળવવા માટે દાદાશ્રી દાદાશ્રીએ થ્રી વિઝનનું અદ્ભૂત હથિયાર આપ્યું છે. પ્રથમ વિઝને રૂપાળી સ્ત્રી નેકેડ દેખાય. બીજા વિઝને ચામડી વગરની સ્ત્રી દેખાય. ત્રીજા વિઝને પેટ ચીરેલું હોય તેમાં આંતરડાં, મળ માંસ બધું દેખાય. બધો ગંદવાડો દેખાય. પછી વિષય ઊભો થાય જ નહીં ને ? છેલ્લે આત્મા દેખાય. જે રસ્તેથી દાદાશ્રી પાર નીકળી ગયા તે જ રસ્તો દેખાડે છે આ વિષય જીતવાનો ! કૃપાળુદેવે કહ્યું છે કે, ‘દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખોનો ક્ષય થાય.’ રૂપાળી સ્ત્રીને જોઈને કોઈ પુરુષને ખરાબ ભાવ થાય તો તેમાં દોષ કોનો ? સ્ત્રીનો દોષ કહેવાય ? ના, આમાં સ્ત્રીનો દોષ જરાય નથી. ભગવાન મહાવીરનું લાવણ્ય જોઈને ઘણી સ્ત્રીઓને મોહ ઉત્પન્ન થતો હતો. પણ ભગવાનને કશું ના અડે ! સ્ત્રીઓના ઉપયોગ ઉપર ખૂબ આધાર છે. સ્ત્રીઓએ કપડા, દાગીના કે મેક-અપ એવાં ના કરવાં જોઈએ કે જેને જોવાથી પુરુષોને મોહ ઉત્પન્ન થાય ! આપણો ભાવ ચોખ્ખો જોઈએ તો કશું બગડે એવું નથી. ભગવાનને કેશનું લોચન શા માટે કરવું પડેલું ? આ જ કારણ ! સ્ત્રીઓ એમના રૂપને જોઈને મોહી ના પડે ! પહેલાંના વખતમાં માનમાં, કીર્તિમાં, પૈસામાં બધે મોહ વેરાયેલો (પા. ૨૨)હતો. હવે તો બધો જ મોહ વિષય માટે જ ખૂંપી જાય છે ! પછી શું કહીએ ? એકાવતારી થવું હોય તો વિષયમુક્ત થવું જ પડે. પ્રતિક્રમણ શૂટ ઑન સાઈટ કરી છૂટી જવાય. મહીં રુચિનું બીજ અંદર પડેલું હોય તે ધીમે ધીમે પકડાય ને તેનાથી છૂટાય. રુચિની ગાંઠ મહીં અનંત અવતારથી પડેલી છે તે કુસંગ મળતાં જ ફૂટી નીકળે. માટે બ્રહ્મચારીઓનો સંગ અતિ અતિ આવશ્યક છે. બ્રહ્મચર્ય માટે સંગબળની જરૂર પડે. ગમે તેટલાં સ્ટ્રોંગ નિશ્ચય હોય પણ કુસંગ તેને ઊડાડી મૂકે ! કુસંગ કે સત્સંગ માણસનું પરિવર્તન કરી નાખે ! ૩. દ્રઢ નિશ્ચય, પહોંચાડે પાર !નિશ્ચય કોનું નામ કહેવાય કે ગમે તેવું લશ્કર આવે પણ તેને ગાંઠે નહીં ! નિશ્ચય ડગે જ નહીં ! ભાવ અને નિશ્ચયમાં ફેર. ભાવમાંથી અભાવ થાય પણ નિશ્ચય ફરે નહીં. અત્યારે જે બ્રહ્મચર્ય પળાય છે તે પૂર્વભવનાં કરેલાં નિશ્ચય ઓપન થાય છે. જેનાં જેનાં નિશ્ચય કર્યા છે તે પ્રાપ્ત થાય જ. પોલો નિશ્ચય હોય તો ટાઈમીંગ બદલાઈ જાય. નિશ્ચયનો સ્ક્રૂ રાત દહાડો ટાઈટ કર્યા જ કરવો. એક ફેરો નિશ્ચય જો તૂટ્યો પછી ખલાસ થઈ જાય ! આપણા નિશ્ચયને તોડાવે કોણ ? આપણો જ અહંકાર. મૂર્છિત અહંકાર. સ્ટ્રોંગ અભિપ્રાય એક જ રહેવો જોઈએ. એમાં છૂટછાટ ના ચાલે. નિશ્ચય સ્ટ્રોંગ રહે તે માટે આટલું સાચવી લો. એક તો કોઈની સામે દ્રષ્ટિ ના મંડાવી જોઈએ, થ્રી વિઝન તરત વપરાવું જોઈએ અને સ્ત્રીનો સ્પર્શ ના થવો જોઈએ. સ્ત્રી સ્પર્શ ઝેરીલો હોય ! અડ્યા હોય તો એ પરમાણુઓ આખી રાત ઊંઘવા ના દે ! પુણ્યૈ આથમે તો બ્રહ્મચર્યનું ઊડાડી દે, ત્યાં સ્ટ્રોંગ નિશ્ચય હશે તો જ તે બચાવી શકશે. પૂર્વની ભાવના સ્ટ્રોંગ હોય તેનાં આ ભવે સ્ટ્રોંગ નિશ્ચય રહે અને ડગુમગુ થાય તેનું, પૂર્વેનું ભાવના કરી જ નથી. આ તો દેખાદેખી થયું છે. એમાં બહુ બરકત આવે નહીં. તેનાં કરતાં પૈણી જવું સારું. ડગુમગુ નિશ્ચયવાળાથી બ્રહ્મચર્ય ના પળાય. વ્રતેય ના લેવાય. એ પછી ટકે નહીં. બ્રહ્મચર્યમાં અપવાદ ના રખાય. સ્ટીમરમાં અપવાદે કાણું રખાય ? પોલ (પા. ૨૩)મારતા મનને કઈ રીતે અટકાવાય ? નિશ્ચયથી. દરેક કાર્યમાં નિશ્ચય જ મુખ્ય છે. આત્મા પ્રાપ્ત થયા પછી નિશ્ચય એક થઈને અહંકારે કરીને નથી કરવાનો પણ જુદા રહીને નિશ્ચય મિશ્રચેતન પાસે કરાવડાવવાનો ! કયારેક જ સ્લિપ થવાય તો ? એક જ ફેર નદીમાં ડૂબી જવાય તો ?! શાસ્ત્રકારોએ એક ફેરના અબ્રહ્મચર્યને મરણ કહ્યું છે. મરવું બહેતર પણ અબ્રહ્મચર્ય મરણતુલ્ય ગણાય. કર્મોનો ફોર્સ આવે ત્યારે આત્માના ગુણોના વાક્યો મોટેથી બોલીને જાગૃતિમાં આવી જવાનું. એ પરાક્રમ કહેવાય. સ્વવીર્યને સ્ફુરાયમાન કરવું એનું નામ પરાક્રમ ! પરાક્રમે પહોંચેલાને પાછા વાળવાની કોઈને તાકત નથી ! નિશ્ચયને સિન્સિયર રહે તો પાર ઉતરાય. દરરોજ સવારના પહોરમાં નક્કી કરી નાખવું કે ‘આ જગતની કોઈપણ વિનાશી ચીજ મને ખપતી નથી.’ તેને પછી સિન્સિયર રહે. જેટલો સિન્સિયર તેટલી જ જાગૃતિ ! આ સૂત્ર તરીકે પકડી લેવું. સિન્સિયારીટી તો ઠેઠ મોક્ષે લઈ જાય. સિન્સિયારીટીનું ફળ મોરાલિટીમાં આવી જાય. સંપૂર્ણ મોરલ થઈ ગયો તે પરમાત્મા થવાનો. ‘રીજ પોઈન્ટ’ એટલે છાપરાની ટોચ ! જુવાનીનું ‘રીજ પોઈન્ટ’ હોય, એ પસાર થઈ ગયું કે જીત્યો. એટલો જ પોઈન્ટ સચવાઈ જવો જોઈએ. તમારી બ્રહ્મચર્ય માટેની દ્રઢ પ્રતિજ્ઞા હોવી જોઈએ. એટલું જ નહીં પણ પ્રતિજ્ઞા પ્યૉર, લાલચ વગરની, ઘડભાંજ વગરની હોવી જોઈએ. જેની દાનત ચોર, તેનો નિશ્ચય કહેવાય જ નહીં. ક્ષત્રિયપણુ હોય ત્યાં દાનત ચોર ના હોય. જેમ વિષના પારખાં ના કરાય તેમ વિષયના પારખાં ના કરાય. એને તો ઊગતાં જ દાબી દેવાય. ઉદય કોને કહેવાય ? સંડાસ લાગી હોય તો છૂટકો થાય ? તેવું ઉદયમાં હોય. સ્ટ્રોંગ નિશ્ચય હોય કે મારે વિષયમાં લપસી જ નથી પડવું, તેમ છતાંય લપસી પડાય તેને ઉદય કહેવાય. સાવધાનીપૂર્વક રહેવું, પછી વાંધો નહીં આવે. પાણીમાં પડી ગયો તે બચવા માટે શું ના કરે ? તેવું (પા. ૨૪)બ્રહ્મચર્ય માટે ઘટે. દ્રઢ નિશ્ચય આગળ તમામ અંતરાયો ઝૂકી પડે છે ! બ્રહ્મચર્ય પાળવાનો નિશ્ચય હોય છતાં વિષયના વિચારો પજવે ત્યારે સાધકે શું સાવધાની રાખવી ? એક તો આ વિચારોને જુદા રાખવાના અને તેમાં ભળવું નહીં, સહી ના કરવી. આ પાછલો ભરેલો માલ છે તે ફૂટે છે તે જાણી મૂંઝાવું નહીં. તેમાં તન્મયાકાર ના થવું. મોટું પ્રતિક્રમણ કરી નાખવું. વિચારો ફરી વળે તો શું વાંધો ? હોળીમાં હાથ ના નાખે તેને શું દાઝવાનું ? ગમે એટલા મચ્છરાં ફરતા હોય, તેને ઊડાડતાં વાર કેટલી ? માત્ર જાગતા રહેવું પડે ! જેટલી જુદાપણાની જાગૃતિ હશે તેટલો વિષય જીતાશે ! બ્રહ્મચર્યનું પુસ્તક ખૂબ જ હેલ્પફૂલ રહેશે ને તેને રોજ વાંચવું. ૪. વિષય વિચારો પજવે ત્યારે...મન તો પોલ મારવામાં એક્સપર્ટ. ત્યાં ખૂબ જાગૃતિ રાખી જીતી જવાનું છે ! બ્રહ્મચર્ય માટે સુંદર પરિણતિઓ રહેતી હોય ત્યાં મહીં બુદ્ધિ પાછી વકીલાત કર્યા વગર રહે નહીં કે વિષયમાં શું વાંધો છે ? આને તો તરત ઉખેડીને ફેંકી દેવું. નહીં તો એ પોલ નિરાંતે પૈણાવી દે ! મન જડ છે. તેની આગળ કળાથી કામ કાઢી લેવું. જેમ નાના બાબાને લૉલી પૉપ આપીને પટાવીને ધાર્યું કરાવી લઈએ છીએ, તેમ મનને સમજાવી પટાવીને વિષયમાંથી બ્રહ્મચર્ય માટે વારંવાર વાળી લેવું. ૫. ન ચલાય, મનના કહ્યા પ્રમાણે !બે રોટલી ખાવાનો નિયમ કર્યો હોય પછી મનના કહ્યા પ્રમાણે ચાલીએ એટલે નિયમ તૂટી જાય. એટલે મન ઘણું કહે, ‘ખાવ ખાવ’ પણ નહીં. એનું માની લઈએ તો પછી મન લપટું પડી જાય. મનના કહ્યા પ્રમાણે ચાલે તેનું બ્રહ્મચર્ય ટકે જ નહીં. તેથી કબીર સાહેબે કહેલું, ‘મન કા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય.’ મનના કહ્યા પ્રમાણે ચાલનારાનો ભરોસો ના કરાય. એની લૉ-બુક જ જુદી હોય. સ્વચ્છંદ હોય. મન સામાયિક-પ્રતિક્રમણ કરવા ના દે. પોલ મારે. ધ્યેય પ્રમાણે ચાલવું, મનના કહ્યા પ્રમાણે નહીં ! મનને ને ધ્યેયને શું લાગે વળગે ! (પા. ૨૫)સ્ટ્રોંગ નિશ્ચયવાળાને મન ગાંઠે નહીં. બ્રહ્મચર્યનો નિશ્ચય હોય પણ લગ્નનું કર્મ પાછળ પડે તો ? પૈણાવી નાખે ને ! ત્યાં જ્ઞાનથી જ રાગે પડે. જ્ઞાન તો ભલભલાં કર્મને પતાવી પાડે ! બ્રહ્મચર્ય પાળનારાનું માઈન્ડ વેવરીંગ હોય તોય એમાં બરકત ના આવે. મનનું માનવાનું જ નહીં. આપણા અભિપ્રાય પ્રમાણે ચાલવાનું. બ્રહ્મચર્યની બાબતમાં તો નાનામાં નાના અવરોધોમાં જાગૃતિ રાખવાની. ત્યાં સ્ટ્રોંગ રહેવાનું. એક પણ પોલ ત્યાં ના ચાલે. નહીં તો ધ્યેયને ઉડાડી મૂકશે ! મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધાય ધ્યેયની સામે પડ્યા હોય તોય સ્ટ્રોંગ જ ના રહે તો બધાંને ટાઢું પડવું પડે. પણ સિદ્ધાંતને વળગી રહેવા પ્રથમથી જ સજાગતા જરૂરી છે. આપણે ચેતન ને મન જડ, તે મનનું તે કંઈ સંભળાતું હશે ?! મન સમાધાન ખોળે, માટે સમાધાની વલણ અપનાવું. પૈણવામાં શું નુકસાન છે તે વારેવારે દેખાડવું. મનનો સ્વભાવ વિરોધાભાસી છે. તે બ્રહ્મચર્યનુંય સુખ એકસ્ટ્રીમ બતાડે અને વિષયનું પણ સુખ એકસ્ટ્રીમ બતાડે. એનો કંઈ નિયમ નથી. ત્યાં આપણે આપણા સિદ્ધાંત પ્રમાણે મનને વાળવું. મન પાછું જીદ્દી પણ નથી. વાળો તેમ વળી જાય તેવું છે. મનના આધારે થયેલાં નિશ્ચયો અને જ્ઞાનના આધારે થયેલાં નિશ્ચયોમાં ફેર શું ? જ્ઞાને કરીને કરેલા નિશ્ચયો ખૂબ સુંદર હોય. મનની સામે જીતવાની તમામ ચાવીઓ હોય. પાયા બહુ મજબૂત હોય. મનનું ત્યાં ના ચાલે. બ્રહ્મચારી આપ્તપુત્રો કેવા હોવા જોઈએ ? ઉપદેશ આપી શકે કે ના પણ આપી શકે તેનો વાંધો નહીં. પણ સિદ્ધાંતને વળગી રહેવું પડે. બીજું આપ્તપુત્રોથી કોઈની જોડે કષાય ના થવા જોઈએ. બધાં જોડે અભેદતા હોવી ઘટે, સામો ભેદ પાડ પાડ કરે ત્યારે આપણે અભેદતા જ ખોળો. ૬. ‘પોતે’ પોતાને વઢવો !‘આપણે’ આપણી જાતને સદાય પંપાળ પંપાળ કરી છે. ભયંકર ભૂલો કરે તોય છાવર છાવર કરીએ એને ! પછી શું દશા થાય ?! કોઈ (પા. ૨૬)દહાડો ‘આપણે’ આપણી જાતને ટૈડકાવી છે ? પ્રકૃતિના અટકણ સ્વરૂપે થયેલા વિષયદોષને કાઢવા તો કંઈ કેટલુંય એને ઠપકારવું પડે ! રડાવવું પડે ! જુદા રહીને પોતે જ પોતાની જાતને ટૈડકાવી નાખીએ તો એનું રાગે પડી જાય ને ?! ‘આપણે’ જાત જોડે ભેગા રહીને એટલે કે એક થઈને કામ કરીએ તો આપણને પણ ભોગવવાનું આવે અને જુદા રહીને કામ લઈએ તો ભોગવવાનું ના આવે. પરમ પૂજ્ય દાદાશ્રીએ જાત જોડે જુદા પડવા માટે ખૂબ જ સુંદર વિવિધ પ્રયોગો દર્શાવ્યા છે. એમાંય ‘અરીસા સામાયિક’ એટલે કે અરીસામાં જોઈને જાત જોડે વાતચીત કરવાનો પ્રયોગ, પ્રકૃતિને ઠપકારવી ઈ. ઈ. ૭. પસ્તાવા સહિતનાં પ્રતિક્રમણો !એક વખત બીજ પડ્યું તે રૂપકમાં આવે જ. પણ એ જામ થઈ જાય ત્યાં સુધી, મરતા પહેલાં ઓછું વત્તું કે ચોખ્ખું થઈ જાય. તેથી દાદાશ્રી વિષયદોષવાળાને રવિવારે ઉપવાસ કરીને, આખો વખત પ્રતિક્રમણ કરી દોષને ધો ધો કરવાની આજ્ઞા આપતા જેનાથી ઓછું થઈ જાય ! વિષય વિકાર સંબંધી દોષોનું સામાયિક, પ્રતિક્રમણ કેવી રીતે કરવાનું ? સામાયિકમાં બેસીને અત્યાર સુધી જે જે દોષો થયા છે તેને જોવાનાં, તેનાં પ્રતિક્રમણ કરવાનાં અને ભવિષ્યમાં ભૂલ નહીં થાય એવો નિશ્ચય કરવાનો ! સામાયિકમાં ફરી ફરી એના એ જ દોષો દેખાયા કરે તો શું કરવું ? ફરી ફરી દેખાય ત્યાં સુધી પ્રતિક્રમણ કર્યે રાખવાનાં. એની ક્ષમા માંગવાની, એનો પસ્તાવો કરવાનો. આમ ખૂબ કર કર કરવાથી વિષય ગાંઠ ઓગળતી જાય. જે જે ઓગાળવું હોય તે તે આ રીતે ઓગળી શકે છે ! અહીં જે સામાયિકો થાય છે તેમાં ગાંઠો ઓગળે છે. વિષયમાં સુખબુદ્ધિ કોને થાય છે ? અહંકારને. ફરી ફરી એની એજ વસ્તુ આપવામાં આવે તો પાછું તેમાંથી જ દુઃખ બુદ્ધિ ઊભી થઈ જાય ! માટે એ પુદ્ગલ છે, પુરણ-ગલન છે. વિષયનું સાયન્સ શું છે ? જેમ લોહચુંબક આગળ ટાંકણી આકર્ષાય તેમ મહીં વિષયના પરમાણુંઓનું આકર્ષણ સામેની વ્યક્તિના વિષયના પરમાણુઓ જોડે થાય છે. આ માત્ર પરમાણુઓનું જ આકર્ષણ છે ને પોતે (પા. ૨૭)તો આનાથી વેગળો શુદ્ધાત્મા જ છે એવું લક્ષમાં રહે તો કંઈ જ અડે એમ નથી. પણ એવી જાગૃતિ એકઝેક્ટલી કોને રહે ? વિષયની ગાંઠ ફૂટે ને એમાં એકાગ્રતા થઈ જાય, તેને વિષય કહ્યો. એકાગ્રતા ના થઈ તો તેને વિષય ના કહેવાય. એ ગાંઠ જેની ઓગળી ગઈ, તેને પછી ટાંકણી ને લોહચૂંબકનો સંબંધ જ ના રહ્યો. વિષય સ્થૂળ સ્વભાવી છે ને આત્મા સૂક્ષ્મ સ્વભાવી છે એવી જાગૃતિ રહે નહીં ને ! એમાં તો જ્ઞાનીનું જ કામ. આ ગાંઠો એ તે આવરણ છે ! આ ગાંઠો છે ત્યાં સુધી આત્માનો સ્વાદ ચાખવા ના મળે. જેના વધારે વિચારો આવે, જ્યાં દ્રષ્ટિ વધુ ને વધુ ખેંચાય ત્યાં ગાંઠ મોટી છે. અક્રમ માર્ગમાં સામાયિકનું ખૂબ જ મહત્વ દાદાશ્રીએ આપ્યું છે. અહીં તો આત્મસ્વરૂપ થઈને દોષોને જોયા કરવાનું. તેનાથી દોષો ઓગળે એ એક ફાયદો ને બીજું પોતે જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહ્યો એટલું આત્મામાં રહેવાનું ફળ મળે ! આનંદ આનંદ થઈ જાય ! સામાયિકમાં તમામ પ્રકારના દોષોને મૂકીને તેનાથી મુક્ત થઈ શકાય છે ! એ સિવાય આટલી બધી ગાંઠો ઓગળી શકે એમ નથી. અક્રમની આ સામાયિક સહેલી, સરળ અને રોકડું ફળ આપનારી છે ! સમુહમાં કરેલી સામાયિક ખૂબ જ પ્રભાવશાળી હોય છે ! પૂજ્ય દાદાશ્રી સામાયિક કરવા ખૂબ ભાર મૂકતા. વિષય જોઈતા ના હોય, પણ વિષયો કંઈ છોડે ? ખાડામાં કોને પડવું હોય ? છતાં ખાડો સામો આવે તો તે કંઈ છોડે ? ખાડાથી બચવા શું કરવું ? દરરોજ એક કલાક દાદા પાસે માંગણી કરવી કે, ‘હે દાદા, મને બ્રહ્મચર્યની શક્તિ આપો.’ એટલે શક્તિ મળી જાય ને સાથે સાથે પ્રતિક્રમણેય થઈ જાય. પછી એની ચિંતા કે ભાર મગજ ઉપર નહીં રાખવાનો. ખાડામાં પડ્યો કે તરત સામાયિક કરી ધોઈ નાખવાનું. જ્ઞાનીઓ ખાડામાં પડી જવાય તેનો વાંધો નથી લેતા, પણ તેનો ઉપાય કરજે. સામાયિક એ જ એકમેવ ઉપાય છે ! ૮. સ્પર્શ સુખની ભ્રામક માન્યતા !સ્ત્રીના અંગોને જોવાનાં સુખ છે, એ માન્યતા સાવ ખોટી છે ! નર્યો ગંદવાડો જ છે ! પણ આ તો રોંગ બિલીફવાળું મન છે તે એ તરફ ખેંચી જાય છે. પણ આજનું જ્ઞાન અટકાવે છે એમાંથી ! સો વખત રોંગ (પા. ૨૮)બિલીફને સાચી માની તો સો વખત એને ભાંગવી પડે. સ્ત્રીના સ્પર્શ સમયે જાગૃતિ રહેતી નથી ને સુખ ભોગવાઈ જાય અને સ્ત્રી સ્પર્શ પણ એટલો જ પોઈઝનસ હોય છે. એ એટલો બધો પોઈઝનસ હોય છે કે મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર, બધાં જ ઉપર આવરણ ફરી વળે ! બેભાન કરી નાખે ! મૂર્છિત ! તે ઘડીએ જાનવર જ કરી નાખે ! દારૂ પીધા પછી મૂર્છિત થાય તેમ. પણ દારૂ પીધા પછી બેભાન થતાં થતાં તો અડધો કલાક કે કલાક નીકળી જાય અને આ તો અડતાંની સાથે જ ઈલેક્ટ્રિસિટીની જેમ અસર કરી નાખે ને મહીં વિષય ચઢી જાય ! વાર જ નહીં ! દાદાશ્રી નીજ અનુભવ કહે છે, ‘નાનપણમાં જ અડતાંની સાથે મહીં ગભરામણ થઈ ગયેલી કે ‘અરેરે ! આ શું થઈ જાય છે ? આ તો ઈન્સાનમાંથી હેવાન થઈ જવાય છે ! આની પછી ‘નો લિમિટ’ ! અમે તો અનંત અવતારના બ્રહ્મચર્યના રાગી એટલે આ ગમે નહીં, પણ ના છૂટકે થયેલું. થોડો ઘણો સંસાર ભોગવ્યો પણ અરુચિપૂર્વક, પ્રારબ્ધવશાત્ આ તે કંઈ શોભતું હશે ?!’ સ્પર્શ સુખ વખતે શું કરવું ? આ રોંગ બિલીફ છે, તેવું સતત ટકોરવું અને સ્પર્શ ઝેર જેવો લાગવો જોઈએ. પણ આ તો પૂર્વભવની માન્યતા કે આમાં સુખ છે એના આધારે સુખ લાગે છે ! માટે હવે એ માન્યતાને ઉડાડવાની છે ! પછી જ્ઞાનની પરાકાષ્ટાએ સ્પર્શ સહજ લાગે. સ્ત્રીમાં દોષ નથી આપણી માન્યતાનો દોષ છે ! વિષયમાં સુખ છે એ બિલીફ કેવી રીતે બેસી ગઈ ? લોકસંજ્ઞાથી. લોકોના કહેવાથી. માટે આ માત્ર સાયકોલોજીકલ ઈફેક્ટ છે. દ્રષ્ટિ ખેંચાવાનું સાયન્સ શું છે ? જ્યાં પૂર્વભવનો કંઈક હિસાબ છે ત્યાં દ્રષ્ટિ ખેંચાય છે. દ્રષ્ટિ ખેંચાઈને તેમાં આકર્ષણ ને વિષયની રમણતા થઈ કે પરમાણુઓની જબરજસ્ત અસરો થવા માંડે. પછી ખેંચાણ ને આકર્ષણ વધવા માંડે. એનું પીક પોઈન્ટ આવે પછી વિકર્ષણ કુદરતી રીતે થવા જ માંડે. આકર્ષણ શરૂ થયું ત્યારથી વિકર્ષણનાં કારણો સેવાવાં ચાલુ થઈ ગયાં ગણાય. આવું છે પરમાણુઓનું એટ્રેકશન (આકર્ષણ) ! પરમાણુના આકર્ષણ કામ કરે બધું. આકર્ષણ પછી સત્તા પોતાની રહી જ નહીં કશી. પછી વિકર્ષણ થાય જ. છૂટકો જ નથી. એ પરમાણુઓ પોતે જ વિકર્ષણ કરાવીને છૂટાં પાડે ! એનો અમલ ફળ આપીને ! (પા. ૨૯)મન અને ચિત્ત વિષયમાં ખૂબ ભાગ ભજવે છે. ચિત્ત વારેવારે ત્યાં જ રમણતા કરે. પછી એનું ગલન થયા વિના ના જ રહે. એક ફેરો વિષયને અડ્યો તે પછી રાતદા’ડો એના એ જ સ્વપ્ના આવે એટલી બધી તો પકડ આવે છે ચિત્ત ઉપર વિષયની ! વિષયના વિચારો આવે છે તે મનની ગ્રંથીમાંથી. એને અને ચિત્તને કંઈ લેવાદેવા નથી. ચિત્ત જો વિષયને સ્પર્શ્યું તો કંઈ કેટલાંય કાળ સુધી ધ્યાનમાં સ્થિરતા ના રહે. દાદાશ્રી કહે છે કે અમારું ચિત્ત કેવું હશે કે કોઈ સમય સ્થાનમાંથી ખસ્યું જ નથી !!! તેથી જ સ્તો દાદાની આંખોમાં સદાય વીતરાગમય પ્રેમ ને કરુણા જ દેખાય ! ચિત્તવૃત્તિઓ જ્યાં જ્યાં ભટકે ત્યાં આત્માને ભટકવું પડે ! ચિત્તવૃત્તિઓ આવતા ભવને માટે જવા આવવાનો નકશો દોરે છે. ચિત્ત એ મિશ્રચેતન છે. માટે ભટકાવનારું છે, જ્યાં જ્યાં ચોંટે ત્યાં, ત્યાં ! હવે જ્યાં જાય ત્યાં તુર્ત જ પ્રતિક્રમણથી ધોઈ નાખે તો તે વિષય દોષ થયેલો ગણાતો નથી. ચિત્તને ડગાવે તે બધાં જ વિષય. આત્માની બહાર ચિત્તને જકડી રાખે તે બધાં જ વિષય. વિચારની નહીં પણ ચિત્તની ભાંજગડ મોટી છે ! મનમાં વિષયના વિચારો ગમે તેટલા આવે, તેને ખસેડ ખસેડ કરો. તેની જોડે વાતોચીતો કરો, તે વાંધો નહીં આવે. પણ ચિત્ત બહાર જવું જ ના જોઈએ. પૂર્વે જે પર્યાયોનું વેદન ખૂબ કર્યું હોય ત્યાં ચિત્ત અત્યારે વધારે જાય. ત્યાં ચોંટી રહે. એને અટકણ કહ્યું. એને જુદુ રાખીને કહેવું, ‘તું જ્ઞેય ને હું જ્ઞાતા’ એનાથી તરત મુક્ત થઈ જશે. આ ચિત્ત ફેકચર થવાથી વિષયમાં લપટાયો છે જેનું ફળ જાનવરગતિ ! ૯. ફાઈલો સામે કડકાઈ !સ્ત્રી જો મોહની જાળ નાખે તો એનાથી કેવી રીતે બચવું ? જ્યાં ફસામણ હોય તો ત્યાં આપણે દ્રષ્ટિ જ માંડવી નહીં. તેમ જ આંખે આંખ ના મિલાવવી. ભેગા જ ના થવું. કેટલીક વાર એવા સંજોગોમાં મૂકાઈ જવાય કે આપણા ઓળખાણવાળા કે સગાં-સબંધીની જ ખરાબ દ્રષ્ટિ હોય તો ત્યાં શું કરવું ? જાણે કંઈ આપણને એના ભાવોની કંઈ ખબર જ નથી, ‘નો રીસ્પોન્સ’ એમ રાખવું ને નીચું જોઈને બને તેટલું તેને ટાળવું ! (પા. ૩૦)ખેંચાણમાં તણાવું નહીં. આંખ ખેંચાય ત્યાંથી આઘા રહેવું. નિકાચિત વિકારી માલવાળો, સત્સંગમાંય લપસે તે ભયંકર ખોટ ખાય. એણે જ્ઞાનીને પૂછીને ચોખ્ખું કરી લેવું. ‘ફાઈલ’ ખુલી એનું નામ કહેવાય કે થોડી જ વારમાં ખેંચાઈ જવાય. ભૂતની પેઠ વળગી જાય ! ‘ફાઈલ’ સામી આવે કે મહીં કૂદાકૂદ કરી મૂકે ! ઉપર જાય, નીચે જાય, ...... મહીં ચંચળતા ઊભી થઈ જાય ! અકારણ મુખ પર લાલી આવી જાય, હસુ હસુ થઈ જાય ને એની દ્રષ્ટિ ‘ક્યાં ફરે છે’ તે ખોળવામાં જ પોતાની દ્રષ્ટિ ખોવાઈ જાય ! અને ‘ફાઈલ’ ગેરહાજર હોય ને યાદ આવે તે તો બહુ ભારે જોખમ, હાજરીમાં અસર કરે તેના કરતાં ! ત્યારે તો આપણી લગામ જ ના રહે. મન ચંચળ થઈ જાય ને દુઃખ થાય. કૃપાળુદેવે ‘લાકડાની પુતળી છે એમ ગણજે’, કહ્યું છે. સંડાસ કરતી સ્ત્રીને જુએ તો ત્યાં ચિત્ત ફરી જાય ? એવું ગોઠવી દેવું. અગર તો ‘ન્હોય મારું, ન્હોય મારું’ કરે તોય જતું રહે. અગ્નિ અને ‘ફાઈલ’ બેઉ સરખાં. દઝાડી ને મારી નાખે. અડતા જ દઝાડે. ‘ફાઈલ’ આગળ આપણે કડક આંખથી જ રહેવુ. એને ખરાબ લાગે અપમાન થાય એવું વર્તવું. ત્યાં બહુ ભયંકર જોખમ રહ્યું. ફાઈલ ઉપર તિરસ્કાર આવે તોય તેનો વાંધો નહીં. તેનો ઉપાય છે. પણ તિરસ્કાર ના આવે તો સમજી જવું કે હજી અંદર પોલ છે, દાનતચોર છે ! જે ‘ફાઈલ’ જોડે બહુ ચીકણું થઈ ગયું હોય ત્યાં ‘ન્હોય મારી, ન્હોય મારી’ કરીને ઘણા ઘણા પ્રતિક્રમણ કરવા. રૂબરૂમાં મળે તો અપમાન કરી દેવું. એટલે એ ફરી ફરકે નહીં. અને આપણે કોઈના માટે ‘ફાઈલ’ થઈ પડ્યા હોય તો તો બહુ સહેલું છે ત્યાંથી છૂટવાનું. જરા અપમાન કરીએ કે ગાંડું બોલીએ તો એ છોડી દે આપણને. ત્યાં આપણે સમભાવે નિકાલ કરવું કહીને દુઃખ ના થાય એવું વર્તવા જાઓ તો વધારે વિષયમાં બગડે બેઉનું. ત્યાં સમભાવે નિકાલ એટલે એને અપમાન કરીને તોડી નાખીએ તે ! આપણું મોળું હશે ત્યાં સુધી એ ચીતર ચીતર કરશે. માટે સામેનાનું ચિતરામણ મૂળથી જ બંધ થઈ જાય તેના માટે આપણે જ કડક થઈ આપણા માટે અભાવ એને (પા. ૩૧)થઈ જાય, એવું વર્તન ને વાણી ગોઠવી દેવા, અથવા મિત્રો જોડે કહેવડાવવું કે તારા જેવી બીજી બે ત્રણને પ્રોમીસ કરેલું છે. આપણને કોઈના માટે વિષયના વિચાર વારંવાર આવ આવ કરે એટલે પછી સામેનાને પણ એની અસર પડે ને તેને પણ વિચારો ચાલુ થઈ જ જાય. ૧૦. વિષયી વર્તન ? તો ડિસમીસ !સત્સંગમાં ક્યાંય દ્રષ્ટિ ના બગડવી જોઈએ. દ્રષ્ટિ બગડે તો પ્રતિક્રમણ કરીને ઊડાડી મૂકવાનું, તોય ચાલે. પણ અહીં વર્તનમાં તો ના જ આવવું જોઈએ. એવું જે કોઈને થાય તે ના જ ચલાવી લેવાય. તેને પછી ડિસમીસ કરવા પડે. ફરી ક્યારેય સત્સંગમાં પેસવાનું નહીં. ‘ધર્મ ક્ષેત્રે કૃતમ્ પાપમ્, વ્રજલેપમ્ ભવિષ્યતિ.’ ધર્મક્ષેત્રમાં કરેલું પાપ વ્રજલેપ જેવું હોય છે, જે નર્કે જ લઈ જાય ! અહીં પાશવતા કરવી એના કરતાં પરણી જવું સારું. હક્કનું તો કહેવાય. બ્રહ્મચર્યવાળો એક જ ફેર લપસ્યો કે ખલાસ થઈ ગયો ! સંયોગ સબંધ થયો તે આપઘાત થયા બરાબર છે. એનું બહુ જોખમ. એ ના જ ચાલે. બીજી બધી ભૂલો ચલાવાય પણ આ ના ચલાવીએ. ત્યાં દાદાની નજર બહુ જ કડક થઈ જાય, આંખો લાલ જ હોય તેની પર. તેથી બ્રહ્મચારીઓ પાસે બે નિયમો લખાવેલા એક તો વિષય સંયોગ થાય તો જાતે જ અહીં સત્સંગ છોડી કાયમ દૂર જતા રહેવું અને બીજું પૂજ્ય દાદાશ્રીની હાજરીમાં કોઈથી ઝોકાં ના ખવાય. ઝોકાં ખાય તેણે જાતે જ રૂમ છોડી જતું રહેવું. ૧૧. સેફસાઈડ સુધીની વાડ...બ્રહ્મચર્ય પાળવા આટલાં કારણો તો હોવાં જોઈએ. એક તો આપણું આ જ્ઞાન હોવું જોઈએ. બીજુ બ્રહ્મચારીઓનું સંગબળ જોઈએ. શહેરથી દૂર રહેઠાણ જોઈએ. બહારનો કુસંગ અડવો ના જોઈએ. જેને દાદાનું નિદિધ્યાસન નિરંતર રહે એને કુસંગ અડે જ નહીં ! પરમ પૂજ્ય દાદાશ્રી પોતાના સિદ્ધાંત માટે શું કહે છે ‘આપણે કંઈ પેઢી કાઢવા ઓછા આવ્યા છીએ ? કંઈ ગાદી સ્થાપવા આવ્યા છીએ ? આ તો આપણે નિકાલ કરવા માટે આવ્યા છીએ.’ ૧૨. તિતિક્ષાનાં તપે કેવળો મન-દેહ !!તિતિક્ષા એટલે શું ? ઘાસ કે પરાળમાં સૂવાનું થાય, કાંકરા ખૂંચતા (પા. ૩૨)હોય, તે ઘડીએ ઘર યાદ આવે તો તે તિતિક્ષા ના કહેવાય. કાંકરા ખૂંચે તેય સરસ લાગવું જોઈએ. રાત્રે બે વાગે સ્મશાનમાં મૂકી આવે તો શું થાય ? ચિત્તા જોઈને ? ભડકાટ પેસી જાય ? તાવ ચઢી જાય ? મનોબળ મોક્ષમાર્ગમાં જબરજસ્ત જોઈએ ! ગમે તેવા વિકટ સંયોગોમાંય ‘હવે મારું શું થશે ?’ એવું ક્યારેય ના થાય. સ્થિરતાથી પાર નીકળી જાય. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે મેં મારી જિંદગીમાં એક પણ ઉપવાસ નહીં કરેલો ! પિત્ત પ્રકૃતિ એટલે એમનાથી ઉપવાસ ના થાય. ચોવીયાર, કંદમૂળ ત્યાગ, ઉણોદરી તપ વિ. કરેલું. ઉપવાસથી જાગૃતિ વધે મહીં કચરો જામી ગયો હોય તે બળી જાય. વાણીય ઓછી થાય. ને બ્રહ્મચારીઓએ અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવો. જ્ઞાનીઓ ઉણોદરી તપને વધુ મહત્વ આપે. દાદાશ્રીએ કાયમ ઉણોદરી કરેલું. ઉણોદરી એટલે પેટને અડધું ખાલી રાખવું. એનાથી જાગૃતિ ખૂબ વધે. વચ્ચે વચ્ચે ફાકા મારવાના ના હોય. ખોરાકથી મહીં મેણો ચઢે, દારૂ થાય. ચરબીવાળો, મીઠાઈ, તળેલો ખોરાક ના લેવાય. આપણાં રોટલી-દાળ-ભાત-શાક એ આદર્શ ખોરાક ગણાય. ઊંઘેય ખૂબ ઓછી હોય. ઘી, તેલથી માંસ વધે ને માંસ વધે એટલે વીર્ય વધે. નાના છોકરાંઓને મગસ કે શીયાળુ પાક ના ખવડાવાય. પછી મોટાં થતાં ખૂબ જ વિકારી થઈ જશે ! મા-બાપ જ બગાડે એમને ! નહાવાથીય વિષય જાગૃત થઈ જાય. તેથી સ્પંજ કરી લે. માંદા માણસને વિષય સાંભરે ? ત્રણ દહાડાનો ભૂખ્યો હોય તેને વિષય સાંભરે ? આ કંદમૂળ ખાવાથી બ્રહ્મચર્ય ટકે નહીં. માટે એ ના ખવાય. ૧૩. ન હો અસાર, પુદ્ગલસાર !બ્રહ્મચર્ય એ પુદ્ગલ સાર છે. ખોરાકનો સાર શું ? વીર્ય. માટે બ્રહ્મચર્ય એ મોક્ષમાર્ગનો આધાર છે. જ્ઞાન સાથે બ્રહ્મચર્ય હોય તો સુખનો પાર નથી. લોકસાર એ મોક્ષ અને પુદ્ગલસાર એ વીર્ય છે. મોંઘામાં મોંઘી વસ્તુ વીર્ય છે. એને કેમ કરીને મફતમાં વેડફાય ? વીર્ય ઊર્ધ્વગામી થાય એવા ભાવ રાખવા જોઈએ. અક્રમજ્ઞાન વીર્યનું ઊર્ધ્વગમન કરાવનારું છે ! (પા. ૩૩)વીર્યને અજ્ઞાન અધોગામી કરાવે ને જ્ઞાન ઊર્ધ્વગામી કરાવે ! છે તો બન્ને રિલેટીવ. પણ વીર્યનાં પરમાણુઓ સૂક્ષ્મરૂપે ઓજસમાં પરિણામ પામે છે, પછી અધોગામી થતું નથી. વીર્ય કાં તો સંસારરૂપે પરિણમે કાં તો ઐશ્વર્યરૂપે ! સાધકને વ્યવહારમાં રીવોલ્યુશન ફરતાં અટકે છે. એનું શું કારણ ? આત્મવીર્ય પ્રગટ થતું નથી. તેથી મન વ્યવહાર સહન કરવાની શક્તિ ધરાવતું નથી. એટલે ભાગેડુ બને છે. તેના કરતા આત્મામાં પેસી જવા જેવું. આત્મવીર્યનો અભાવ એટલે વ્યવહારનું સોલ્યુશન ના કરી શકે. આત્મવીર્ય ક્યારે પ્રગટ થાય ? આત્મ સિવાય બીજે ક્યાંય રૂચિ ના રહે. દુનિયાની કોઈ ચીજ લલચાવી ના શકે ત્યારે. વીર્ય ઊર્ધ્વગમન થાય તેનાં લક્ષણો શું ? મોઢાં ઉપર તેજી આવે. બ્રહ્મચર્યનું નૂર ઝળકે ! વાણી, વર્તન, મીઠું બને, મનોબળ ખૂબ વધે ! સ્વપ્નદોષનું શું કારણ ? ટાંકી છલકાઈને ઉભરાય એના જેવું. ખોરાકનો કંટ્રોલ કરે તો સ્વપ્નદોષ ના થાય. એમાંય રાતના ખોરાક ના લેવો જોઈએ. ઉણોદરી ચા-કોફી ના લે વિ. છતાંય સ્વપ્નદોષને એવો ગુનો નથી ગણ્યો. પણ જાણી જોઈને ના કરાય. એ ભયંકર ગુનો છે. આપઘાત કહેવાય. જાણી જોઈને ડિસ્ચાર્જની છૂટ ના હોય. કૂવામાં જાણી જોઈને કોઈ પડે ? સામાન્ય રીતે એવું લૌકિકમાં પ્રચલિત છે કે વીર્યનું ગલન એ પુદ્ગલ સ્વભાવ જ છે. એ લીકેજ નથી. જ્ઞાનીઓની જ્ઞાનદ્રષ્ટિ શું કહે છે કે, આપણી દ્રષ્ટિ બગડી કે વિચારો બગડ્યા એટલે વીર્યનો અમુક ભાગ ‘એક્ઝોસ્ટ’ થઈ ગયો કહેવાય. પછી તે ડિસ્ચાર્જ થયા કરે. સ્વપ્નદોષને ગુનેગાર ના ગણાય. પણ છતાંય સવારના એનું પ્રતિક્રમણ કરવું પડે. પસ્તાવો કરવો પડે. દાદાની પાંચ આજ્ઞા પાળે તેને વિષય-વિકાર થાય એવું નથી. બાહ્ય ઉપાયોમાં ઉપવાસ, આંબેલ, શરીરને હૃષ્ટપુષ્ટ ના થવા દેવું, ટાઢ તડકાને ખમી શકે અને સાદો સાત્વિક આહાર લે. વીર્ય ઊર્ધ્વગામી થાય તે જ્ઞાન ધારણ કરી શકે, જૈન શાસ્ત્રમાં નવ વાડના નિયમો આપ્યા છે બ્રહ્મચારીઓને માટે. નિરોગી વિષયી ના હોય. પૂરેપૂરા નિરોગી તો તીર્થંકરો જ હોય. આત્મજ્ઞાનની અપેક્ષાએ વિચારો સારા ખોટા હોતા નથી. બન્નેવ (પા. ૩૪)જ્ઞેય છે. તેને જ્ઞાતા રહીને જોયા કરે તો તે પૂરાં થાય છે. પણ તેમાં તન્મયાકાર થઈ જાય તો કર્મ ઝમવા માંડ્યું. પણ તુર્ત જ પ્રતિક્રમણ કરી લે તો એ ભૂંસાઈ જાય. જો એનો કાળ પાકે ને અવધિ પૂરી થઈ જાય તો બંધ પડે, પણ તે પહેલાં પ્રતિક્રમણથી ભૂંસી નાખે તો બંધ ના પડે. વિષયની બાબતમાં ઇન્દ્રિયો પરની ઈફેક્ટ અને મન બન્ને જુદું પણ હોઈ શકે. સ્થૂળ વિષય ભોગવતાં પહેલાં મન વિષય ભોગવે કે ના પણ ભોગવે. ચિત્તથી ભોગવવું એટલે તરંગોથી, ફિલ્મથી ભોગવવું. ચિત્તથી કે મનથી ભોગવે તેને ભોગવ્યું કહેવાય. મનથી મંથનમાં જતું રહ્યું એટલે સાર બધો મરી જાય. તે મરેલું પડી રહેશે ને તે પછી ડિસ્ચાર્જ થવાનું જ. વિષયના વિચારમાં તન્મયાકાર થયો એ જ મંથન. તન્મયાકાર ના થાય તો પાર ઉતરી ગયો બ્રહ્મચર્યના સાયન્સમાં ! મંથન થવા માંડે કે તર્ત જ પ્રતિક્રમણ કરી લેવું. પ્રતિક્રમણનું ટાઈમીંગ સાચવવું અગત્યનું છે ! જો થોડોક વધુ ટાઈમ જતો રહે તો પછી મંથન થઈ જ જાય. માટે વિચાર આવતાં ની સાથે જ, ઑન ધી મોમેન્ટ પ્રતિક્રમણ થઈ જવું જોઈએ. વિચાર આગળને પ્રતિક્રમણ પાછળ જ થવું જોઈએ. ઝેર પીધું પણ ગળા નીચે ઉતરે એ પહેલાં જ જો ઊલટી કરી નાખે તો બચે ! તેમ આ પ્રતિક્રમણ તરત જ થવું ઘટે. સ્હેજ જો અટકી ગયો વિચારોમાં તો પછી મંથન શરૂ થઈ જાય. પછી સ્ખલન થયા વિના ના રહે. અડધો કલાક ઊંધો ચાલતો હોય પણ જાગૃત થયો કે પ્રતિક્રમણથી બધું ધોઈ નાખી શકે ! એવું ગજબનું છે આ અક્રમ વિજ્ઞાન !!! ૧૪. બ્રહ્મચર્ય પમાડે, બ્રહ્માંડનો આનંદ !બ્રહ્મચર્યમાં અપાર આનંદ આવે. બીજા કશામાં ક્યારેય ચાખ્યો ના હોય એવો આનંદ ઉત્પન્ન થઈ જાય ! મહા મહા પુણ્યાત્માને પ્રાપ્ત થાય બ્રહ્મચર્ય ! સાચું બ્રહ્મચર્ય જ્ઞાનીની આજ્ઞાપૂર્વકનું હોવું ઘટે. અને ભૂલ થાય તો તેમની પાસે માફી માગવાની. સંપૂર્ણ બ્રહ્મચર્યમાં આવે તેની અનંત અવતારની બધી જ ખોટ પૂરી થઈ ગઈ ગણાય. નિર્ભય થાયને બ્રહ્મચર્યનું તેજ તો સામી ભીંત ઉપર પડે ! જેને શુદ્ધાત્માનો વૈભવ જોઈતો હોય તેણે બહ્મચર્ય પાળવું આવશ્યક છે. જ્ઞાનમાં ખૂબ મદદ કરે એ ! બ્રહ્મચર્ય એ મહાવ્રત છે એનાથી આત્માને સ્પેશ્યલ અનુભવ થાય ! બ્રહ્મચર્ય વ્રત લીધા પછી તોડવું એ ભયંકર દોષ લાગે. માર્યો જ (પા. ૩૫)જાય એ. વ્રત આપનાર નિમિત્તને પણ દોષ લાગે. માટે એના માટે બહુ ઊતાવળ કરવાની જરૂર નહીં. બ્રહ્મચર્યનું અંતિમ ફળ છે સર્વસંગ પરિત્યાગ ! એક જ માણસ સાચો હોય તો જગત કલ્યાણ કરી શકે. જગત કલ્યાણ વધુ ક્યારે થાય ? ત્યાગમુદ્રા હોય ત્યારે વધારે થાય. ગ્રહસ્થમુદ્રામાં જગતનું કલ્યાણ વધુ થાય નહીં. ઉપલક બધું થાય. પણ અંદરખાને બધી પબ્લીક ના પામે. ઉપલકતામાં બધો મોટો મોટો વર્ગ પામી જાય, પણ પબ્લીક ના પામે. ત્યાગ પાછો આપણો, અહંકાર વગરનો જોઈએ ! અક્રમનું ચારિત્ર તો બહુ ઊંચું કહેવાય ! ગજબનું સુખ વર્તે. ‘હું શુદ્ધાત્મા છું’ એ નિરંતર લક્ષમાં રહે, એ મહાનમાં મહાન બ્રહ્મચર્ય. બ્રહ્મમાં ચર્યા એનું નામ રિયલ બ્રહ્મચર્ય. વિષયમાંથી છૂટ્યો ક્યારે કહેવાય ? વિષય સબંધી કોઈ પણ વિચાર ના આવે, દ્રષ્ટિ ના ખેંચાય ત્યારે. ૧૫. વિષય સામે, વિજ્ઞાનની જાગૃતિ !આકર્ષણ થાય તેનો વાંધો નથી, પણ તેમાં ચોંટ્યો, તન્મયાકાર થયો તે વાંધાજનક છે. આકર્ષણ થાય તેની સામે આપણો વિરોધ એ જ તન્મયાકાર ના થવાની વૃત્તિ. તન્મયાકાર થયા એટલે ગોથું ખાઈ ગયા જાણવું. કોઈ જાણી જોઈને લપસી પડે ? ચીકણી માટી આગળથી ઉતરતાં કેવાં પગનાં આંગળા દબાવીને ચાલે છે ? પડવાના વિરોધમાં આપણે કેટલા બધા હોઈએ છીએ ? એક જણ દાદાશ્રીને પૂછે કે દ્રષ્ટિ પડતાં જ મહીં ચંચળ પરિણામ ઊભાં થઈ જાય છે, ત્યાં શું કરવું ? તેને દાદાશ્રી વિજ્ઞાન આપે છે, દ્રષ્ટિ એ ‘આપણા’થી જુદી વસ્તુ છે. તો પછી દ્રષ્ટિ પડે તેમાં આપણને શું થયું ? આપણે ના ચોંટીયે તો દ્રષ્ટિ શું કરે ? હોળીને જોવાથી આંખ દાઝે ખરી ? ‘પોતાના’ મહીંના વાંકે આકર્ષણ થાય છે. બન્ને દ્રષ્ટિ એટ એ ટાઈમ રાખવાની. રિયલમાં શુદ્ધાત્મા જોવાના ને રિલેટીવમાં થ્રી વિઝન જોવાનું. દ્રષ્ટિ મલીન થાય કે તરત જ દાદાએ આપેલા જ્ઞાનના ઉપાયો કરી તરત નિર્મળ કરી નાખવી.મહીં ફોર્સફુલી પાંચ-દસ વખત બોલી નાખીએ (પા. ૩૬)કે, ‘હું શુદ્ધાત્મા છું... તોય પાછું ઠેકાણે આવી જાય. અથવા ‘દાદા ભગવાન જેમ હું નિર્વિકારી છું, નિર્વિકારી છું’ બોલવું. આનો ઉપયોગ કરવો આ તો વિજ્ઞાન છે. તરત ફળ આપનારું છે. નહીં તો ગાફેલ રહ્યા તો ઊડાડી મૂકે બધું ! જો એક કલાક કોઈ પણ સ્ત્રી સંબંધી વિષયી ધ્યાન રહે તો આવતા ભવે એ મા થાય, વાઈફ થાય ! માટે ચેતો. માટે વિષયનો વિચાર ધ્યાનરૂપ ના થવો જોઈએ. એના એ જ વિચારમાં રમણતા કરવી એનું નામ ધ્યાનરૂપ. તેને ઉખાડીને ફેંકી દેવાનું. વિચારોને જોવાથી જ ગાંઠો ઓગળે, પુદ્ગલ શુદ્ધ થઈ જાય. સ્ત્રીને જોતાં જ મહીં સ્પંદન આવે તો તેનું તરત પ્રતિક્રમણ કરવું. જાગૃતિ જરાક મંદ પડી કે વિષય પેસી જ જાય. એનું આવરણ આવી જ જાય ! એક ફેરો સ્લિપ થયા, પછી સ્લિપ નહીં થવાની શક્તિ ઘસાઈ જાય. તે પાછું સ્લિપ કરે એટલે એ લપટી પડી જાય. અસંયમ થયો કે લપટું પડી જાય. સંયમ વધઘટ થાય તેનો વાંધો નહીં પણ સંયમ તૂટી જાય કે પછી થઈ રહ્યું ! બ્રહ્મચર્યના આગ્રહી થવાની છૂટ, પણ બ્રહ્મચર્યના દુરાગ્રહી ના થવાય. અંતે તો આત્મરૂપ થવાનું છે. બ્રહ્મચર્યના નિમિત્તે કષાય થઈ જાય તે ના ચાલે. આત્મામાં રહેવાનું કે બ્રહ્મચર્યમાં ? બ્રહ્મચર્ય વ્યવહારને આધીન છે. નિશ્ચય તો બ્રહ્મચારી જ છે ને ? આત્મા તો સદા બ્રહ્મચારી જ છે ને !! ૧૬. લપસનારાંઓને, ઊઠાડી દોડાવે...વિષયના ગુનાનું શું ફળ છે એ પ્રથમ જાણવું જોઈએ. એની સમજ પડે તો જ એ ગુનામાંથી અટકે. જ્ઞાનીને જે વળગી રહ્યો, તે છૂટે એક દહાડો. જેને દાદાનું નિદિધ્યાસન રહે તેનાં તમામ તાળાં ખુલે છે. દાદાના નિદિધ્યાસનું સાક્ષાત્ ફળ મળે છે ! જગત કલ્યાણનો નિમિત્ત બનવાનો જેણે ભેખ લીધો છે એને (પા. ૩૭)જગતમાં કોણ આંતરી શકે ? દેવલોકોય પુષ્યવૃષ્ટિ કરે છે. આ માર્ગમાં આગળ વધ્યા છે ત્યાંથી પૂર્ણાહુતિ થઈ શકે ! તમે ચોખ્ખા છો તો તમારું કોઈ નામ દેનારું નથી. ૧૭. અંતિમ અવતારમાંય બ્રહ્મચર્ય તો આવશ્યક !મોક્ષ અને બ્રહ્મચર્યને શું લાગે વળગે ? ઘણુ બધું લાગે વળગે. બ્રહ્મચર્ય વગર આત્માનો અનુભવ જ ખબર ના પડે. આ સુખ આવે છે તે આત્માનું છે કે પુદ્ગલનું છે, એ ખબર જ ના પડે ને ! હવે કેટલાંય અબ્રહ્મચારી મોક્ષે ગયેલા. ત્યાં શું હોય કે બ્રહ્મચર્ય માટે પોઝીટીવ હોવો જોઈએ. નિગેટીવવાળાને કોઈ દહાડો આત્મા પ્રાપ્ત ના થાય. પરણીને બ્રહ્મચર્ય પાળે તે ઊંચુ કે ના-પરણીને પાળે તે ? જ્ઞાનીઓએ પરણીને પાળે તેને ઊંચું કહ્યું ! છતાં મોક્ષે જનારાઓને છેલ્લા દસ પંદર વર્ષ તો સર્વસંગ પરિત્યાગ વર્તવું જ જોઈએ. બ્રહ્મચર્ય વિના તો મોક્ષે જવાય જ નહીં ! બ્રહ્મચર્યમાં કોઈને દબાણ ના કરાય. બ્રહ્મચર્ય વ્રત એકદમ કોઈને અપાય નહીં. એકાદ વર્ષ માટે આપી ધીમે ધીમે વધાય. તમારો નિશ્ચય ને અમારું વચનબળ વિષયને ઊડાડે. અંતરાયો તોડી નાખે. અક્રમ માર્ગમાં આશ્રમ જેવું ના હોય. પણ બ્રહ્મચારીઓ થયા તેમના માટે જોઈએ. બ્રહ્મચારીઓના સંગમાં રહેવું પડે. દાદાશ્રી પોતાના વિષે કહે છે, ‘અમારે બ્રહ્મચર્ય પાળવાનું ના હોય. અમને તો તે વર્તે, વિષય જેવી વસ્તુ કંઈ છે એવું યાદેય ના આવે. શરીરમાં એ પરમાણુ જ ના હોય ને ! અને પોતેય પૂર્વભવોથી માલ ખાલી કરતાં કરતાં આવેલા. એટલે નાનપણથી જ વિષયમાં રુચિ નહીં. પહેલાંના જમાનામાં બાળલગ્ન થતાં. તેથી બીજે ક્યાંય દ્રષ્ટિ બગડવાનો પ્રશ્ન જ ના રહે ને !! જીવન કેવું સુંદર ને પવિત્ર જાય ? એની અસર બાળકો પર કેવી સુંદર પડે. છોકરાંઓ પણ સંસ્કારી ને એકધારાં પાકે ! પરણવામાં આટલાં બધો જોખમો છે. છતાંય કોડથી ઘોડે ચઢીને પૈણે છે એ જ શું અજાયબી નથી ?! એનું કારણ એ કે એ જાણતો જ નથી એનાં પરિણામોને ! થોડુંક દુઃખ પણ સરવાળે તો સુખ જ છે એવી (પા. ૩૮)માન્યતાના આધારે જ બધાં પરણે છે. જેને પુદ્ગલસાર (બ્રહ્મચર્ય) અને અધ્યાત્મસાર (શુદ્ધાત્મા) બેઉ પ્રાપ્ત થઈ ગયો એનું તો થઈ ગયું કલ્યાણ જ ને ! બ્રહ્મચર્ય આત્માના સ્વાભાવિક ગુણો પ્રગટ થવા દે, આત્માનુભવ થવા દે, આત્માના ગુણોનો અનુભવ થવા દે. બ્રહ્મચર્ય અને પરફેક્ટ વ્યવહાર બેઉ ભેગું થાય તો બ્રહ્મચારીઓ જગતનું કલ્યાણ કરવામાં ખૂબ જ હિતકારી થઈ શકે. દાદાશ્રીએ પોતાનો વ્યવહાર કેવો છે એ જણાવતાં કહ્યું છે, ‘એક ત્રાડ અમે પાડીએ કે મહાત્માઓના રોગ તુર્ત જ નીકળી જાય. એમનો હાથ અડે ને સામાનું કામ થઈ જાય. એવી બધી સિદ્ધિઓ પ્રગટે.’ પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે તમારો નિશ્ચય ને અમારું વચનબળ બેઉ ભેગું થાય તો ‘વ્યવસ્થિત’ આખું ફેરફાર થાય ! અહીં જ એક અપવાદ સર્જાય છે ! બ્રહ્મચારીઓને પાંત્રીસ વર્ષ સુધી વિષયની સામે સતત સજાગ રહેવું પડે. નહીં તો મોહનું વાતાવરણ ‘રીજ પોઈન્ટ’ પર આવે ત્યારે એને ઊડાડી મૂકે ! ત્યારે જ્ઞાન બીજનેય ઊડાડી મૂકે !!! પણ આવતા ભવમાં આ જ્ઞાન પાછું સહાયરૂપ થાય. પરણાવાની ના પાડી તેથી કંઈ અંતરાયકર્મ બંધાય ? મુંબઈ જઈએ તેથી કરીને કંઈ બીજો ગામો જોડે ઓછાં અંતરાય પાડ્યા કહેવાય ?! બ્રહ્મચર્ય પાળે તેનાથી કર્મ બંધાય ? અજ્ઞાનદશામાં બ્રહ્મચર્ય પાળવાથી પુણ્ય બંધાય ને અબ્રહ્મચર્યથી પાપ બંધાય. પણ અક્રમજ્ઞાનથી તો કર્મ જ ના બંધાય. બન્નેવ ડિસ્ચાર્જ ગણાય. આમાં જ્ઞાનીની આજ્ઞાથી પાળીએ છીએ, કર્તા થઈને, એટલું ચાર્જ છે. બ્રહ્મચર્ય ઈટસેલ્ફ ડિસ્ચાર્જ છે, પણ તેની પાછળ જે ભાવ છે તે ‘ચાર્જ’ ગણાય. આજ્ઞા પાળવા પુરતું ચાર્જ ગણાય. એનું ફળ સમ્યક્ પુણ્ય મળે. જેનાથી સીમંધર સ્વામી પાસે પડી રહેવાની સવલતો સરળતાથી મળે. આ બધી વૈજ્ઞાનિક શોધખોળો છે દાદાની ! (પા. ૩૯)સંપૂજ્ય દાદાશ્રી બ્રહ્મચર્યની મજબૂતી માટે દર રવિવારે સંપૂર્ણ ઉપવાસ પાળવાનો નિયમ આપતા, જેનાથી વિષયનો સામાવાળિયો થાય. ને બ્રહ્મચર્યમાં ખૂબ પુષ્ટિ મળે. જેને લક્ષ્મી કે વિષય સંબંધી વિચાર જ ના આવે, દેહથી છૂટો રહે તેને જગત ભગવાન કહ્યા વિના નહીં રહે !!! ૧૮. દાદા આપે પુષ્ટિ, આપ્તપુત્રીઓનેપરમ પૂજ્ય દાદાશ્રીએ બહેનોને પુષ્ટિ આપી બ્રહ્મચર્યના માર્ગે વાળી છે.તેમના હાથે આપ્તપુત્રીઓનું ઘડતર થયેલું છે. સારાં કપડાં પહેરેલાં, અપ ટુ ડેટ યુવાન જોઈ છોકરીઓ મૂર્છિત થઈ જાય, પણ મહીં માલ કેવોય કચરાવાળો હશે તે ના દેખી શકે ! રૂપાળો જોઈને જ મૂર્છિત થઈ જાય એટલે ત્યાં ફસાવું નહીં, નહીં તો ભવ બગાડી નાખે એ ! આવતા ભવની ગાંઠ પડે. દાદાશ્રીએ છોકરીઓ માટે બ્રહ્મચર્યની મુશ્કેલીઓ વધારે દર્શાવી છે. નિશ્ચય ડગે નહીં તો ગેરન્ટીથી બ્રહ્મચર્યને પહોંચી વળાશે ! થ્રી વિઝનની જાગૃતિ રહે તે મોહને કાઢે. યુવાનોને પૈણવાનું કહીએ તો ના પાડે છે. ઘેર મા-બાપનું સુખ (!) જોઈને એમને જબરજસ્ત વૈરાગ આવી જાય છે. ગમે તેટલું આકર્ષણ થાય પણ પ્રતિક્રમણ ખૂબ કર્યે રાખવાથી તેમાંથી છૂટી જવાય. આજકાલ ધણી તે કેવા હોય છે ? ધણી તો તેનું નામ કે એક ક્ષણ પણ આપણને ના ભૂલે ! આ તો બધા કચરો ! બહાર કેટલીય સ્ત્રીઓ જોડે સોદા પાડતા ફરે ! આ કાળમાં પ્રેમ નહીં પણ આસક્તિ જ જોવા મળે. પ્રેમ ભૂખ્યા નહીં પણ વિષય ભૂખ્યા હોય. આ એક જાતનું સંડાસ જ કહેવાય, વિષય એટલે પૈણ્યા એટલે ઘરનું સંડાસ આવી ગયું, નહીં તો બહાર જયાં ને ત્યાં જતા ફરે ! એના વિના છૂટકો જ નહીં ને, માટે ! જેને એકાવતારી પદ મેળવી મોક્ષે જ જવું છે તેને પ્રથમ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું પડે જ્ઞાની પાસેથી. પછી આજ્ઞામાં આવીને બ્રહ્મચર્ય પાળે તો જ થાય. સ્ત્રીઓને માટે વધારામાં મોહ ને કપટથી સંપૂર્ણ છૂટવું પડે. પરપુરુષ માટે વિચાર પણ ના જોઈએ. અને આવે તો તરત પ્રતિક્રમણ (પા. ૪૦)કરી ધોવું પડે. જે મિશ્રચેતનથી ચેત્યો એનું કલ્યાણ થઈ ગયું ! મિશ્રચેતન સંગે જે વિકારી સંબંધીથી લપટાયા તો જાનવરગતિમાં ખેંચી જાય ! જ્ઞાની પુરુષ પાસે પોતાનું કલ્યાણ કરી લેવાનું. પોતે કલ્યાણ સ્વરૂપ થયો. તેનાથી વગર બોલ્યે બીજાનું કલ્યાણ થાય. બોલ બોલ કરવાથી કે ભાષણો કરવાથી કશું વળતું નથી. ચારિત્રની મૂર્તિ જોવાથી જ બધા ભાવ શમી જાય ! માટે પ્યૉર થવાનું છે, શીલવાન થવાનું છે !!! - ડૉ. નીરુબેન અમીન ચેત રે બ્રહ્મચારી...ચેતન કરી લે વિચાર, દગા જેવો છે સંસાર, મોક્ષ માટે થઈ જા તૈયાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, ચટણી કાજે ખોયો થાળ, વિષયમાં તૃપ્તિ નહીં લગાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, ગાફેલ રહિસ ના લગાર, દ્રષ્ટિદોષે ખડો સંસાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, પૈણવાની ફાઈલ છે તૈયાર, કસોટીનો આ તારો કાળ, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, વિષય કીચ્ચડમાં ડૂબનાર, વિશ્વે ન મળે હાથ ઝીલનાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, નિશ્ચય કેમ રે ડગનાર, આંધી તો આવે વારંવાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, હસીને વાત ના લગાર, દ્રષ્ટિએ દ્રષ્ટિ ના અડાડ, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, નખરાળી નજરે હો તુચ્છકાર, કડક આંખે છે ઉપકાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, સ્ત્રી સદા દાવો માંડનાર, નવ ગજથી કર રે નમસ્કાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, નયનોના લાગે ગોળીબાર, બખતર બૂઠાં થયે હાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, કડક દ્રષ્ટિના રાખ હથિયાર, ફાટતાં પૂર્વે બાંધી લે પાળ, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, ચેતજે સ્ત્રીના તિરસ્કાર, છૂપો તેમાં વિષયનો રણકાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, વિષય અંતે છે ધિક્કાર, અણહક્ક બાંધે નર્કાગાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, અગ્નિને પેટ્રોલ મીલનસાર, મીલતા વિષયી ભિષણ જાળ, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, વિષય છે બાળનાર, નિર્વિષયી દાદા જેવો થનાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, શીલનું ગ્રહીલે અલંકાર, કલ્યાણી હેતુ આકર્ષનાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, થ્રી વીઝને વિષય જીતનાર, દાદાપુત્ર થા તું હોનહાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, સ્પર્શ દોષ ઝેરીલો અપાર, ચેત નહીં તો તું લપસનાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર , વિષયે બાંધ્યા નર્કાગાર, આલોચના એક જ ઉગારનાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, ભયંકર વિષયદોષનો ભાર, આલોચના કરીને ઊતાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, દ્રષ્ટિ ખેંચાય જ્યાં પલવાર, બી પડે થતાં જ તન્મયાકાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, બી બે પાંદડે ફૂટનાર, ઉખેડી તત્ક્ષણ દૂર ફેંકનાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, બે પાંદડા પછી તારી હાર, સૂક્ષ્મમાં વીર્ય સ્ખલન થનાર , માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, દ્રષ્ટિથી સૂક્ષ્મ ગલન થનાર, સ્થૂળમાં પછી ન કો’ રોકનાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર , ઊખેડ કૂંપણ તત્વાર, અટકે સ્ખલન થા હુશિયાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, વિષય વિચારે તન્મયકાર, મંથને વીર્ય સ્ખલનાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, મન લપટું તો ય ના હાર, દાદાઈ કૃપા અપરંપાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર , ચિત્તે પાડ્યા ફોટા વારંવાર, પ્રતિક્રમે ધોજે કોટીવાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, ચિત્તને વિખેર ના લગાર, આત્મઐશ્વર્ય હણનાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, ચિત્તનો આવો છે ધિરધાર, એક ફેર ટકે ત્યાં જ જનાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, વિષયો ચિત્ત ઉપચાર, નિદિધ્યાસન એક જ સાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, બુધ્ધિથી ગણી સુખસાર, વિષયમાં સુખ કયાં તલભાર ? માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, બ્રહ્મચર્યનો કયો આધાર ? સમજીને કે અહંકાર ? માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, વીર્ય છે પુદ્ગલ સાર, તે જીત્યે પામે સમયસાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, પોતા જેવું જગ કરનાર, કેમ પોષાય ધ્યેય તોડનાર ? માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, અખંડ બ્રહ્મચર્યની ધાર, મરી જવું, પણ ના ચૂકનાર! માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર સ્થૂળ દોષ ચાલે ના એકવાર એક ફેર ડૂબ્યો તો શું વિચાર ? માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, ધ્યેયનો મહાન છે ચિતાર, ડગ નાના ને પ્રમાદ અપાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, વિષયો તો ભોગવ્યા અનંતવાર, જ્ઞાની હાથ આવે ના દૂબાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, વિશ્વે વિષય અંધકાર, દીપ બની તુ જગ તાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, ક્યારે નીકળીશ વિષય પાર, જ્ઞાન ત્યારે જ ઝળકશે અપાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, બ્રહ્મચર્ય જ સર્વાધાર, ભગવંત પદે પહોચાડનાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, સ્પષ્ટ વેદન કોને મળનાર, બ્રહ્મચર્ય ધારણ કરનાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, વિષયોની હવે શું મદાર, દાદા કૃપા અપરંપાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, બ્રહ્મચર્ય વિના નથી ઉદ્ધાર, મોક્ષે ગયા સર્વસંગ ત્યાગનાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, બ્રહ્મચારી વિશ્વે અચરજકાર, ક્રમ અક્રમને તું સાંધનાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, જગ કલ્યાણી ધ્યેય સવાર, શીલથી કષ્ટો કંપાવનાર, માટે ચેતીને ચાલ. ચેતન કરી લે વિચાર, આપોપું ગયે પૂર્ણ થનાર, નિરાલંબ સ્વમાં વર્તનાર, માટે ચેતીને ચાલ. - ડૉ. નીરુબેન અમીન (પા. ૧)ખંડ : ૧ વિષયનું સ્વરૂપ, જ્ઞાની દ્રષ્ટિએ[1] વિશ્લેષણ, વિષયના સ્વરૂપનુંકીચડમાં ઠંડકની મઝાઆ પાંચ ઇન્દ્રિયના કીચડમાં મનુષ્ય થઈને કેમ પડ્યા છે એ જ અજાયબી છે ! ભયંકર કીચડ છે આ તો ! પણ એ નહીં સમજવાથી, બેભાનપણાથી જગત ચાલ્યા કરે છે. એક સહેજ જો વિચારે તોય કીચડ સમજાય. પણ આ લોકો વિચારતા જ નથી ને ?! નર્યો કીચડ છે. તો મનુષ્યો કેમ આવા કીચડમાં પડ્યા છે ? ત્યારે કહે, ‘બીજી જગ્યાએ ચોખ્ખું મળતું નથી. એટલે આવા કીચડમાં સૂઈ ગયો છે.’ પ્રશ્નકર્તા : એટલે કીચડ માટેની અજ્ઞાનતા જ છે ને ? દાદાશ્રી : હા, એની અજ્ઞાનતા છે. એટલે જ કીચડમાં પડ્યો છે. પાછું આને જો સમજવા પ્રયત્ન કરે તો સમજાય એવું છે, પણ પોતે સમજવા પ્રયત્ન જ નથી કરતો ને ! કોઈ કહે કે જાનવરોને આ વિષયો પ્રિય છે ? તો હું કહું કે ના, જાનવરોને આ વિષયો બિલકુલ પસંદ નથી. પણ છતાંય એમને ‘નેચરલ’ ઉશ્કેરાટ થાય છે. બાકી આ વિષયને કોઈ પસંદ જ ના કરે, સાચો પુરુષ (પા. ૨)હોય તો પસંદ જ ના કરે. તો આ મનુષ્યો શાથી વિષયોમાં પડે છે કે આખો દહાડો દોડધામ, દોડધામ કરે. થાકેલો હોય એટલે એને ભાન નથી રહેતું કે આ કીચડ છે, એટલે એ માર પડતું નાખે છે મહીં ! બાકી બિલકુલ ‘સેન્સ’ ખલાસ થઈ જાય ત્યારે આ કીચડ યાદ આવે. નહીં તો ‘સેન્સીબલ’ માણસને તો આ કીચડ ગમે જ નહીં ને ! આ તો દોડધામની મહેનત ને એની બળતરા, એને શમાવવા માટે આ કાદવમાં પડે છે. ખાડામાં પડ્યા તેથી કરીને આ બળતરા કંઈ શાંત થતી નથી. જરા સંતોષ આપે એટલું જ અને ઊંઘ આવી જાય. બાકી પછી તો મરવા જેવું લાગે. આ વિષયના કાદવ કરતાં વાંદરાની ખાડીનો કાદવ તો બહુ સારો, એકલી ગંધ આવે એટલું જ, બીજું કંઈ નહીં. જ્યારે આ તો અપાર ગંધ ને નર્યા કેટલાંય જીવો મરી જાય છે, પણ ભાન નથી અને પાછો કહે છે કે, ‘હું જૈન છું.’ અલ્યા, જૈન તો આવો ના હોય. આમાં તો કરોડો જીવ ખલાસ થઈ જાય છે !!! એવું છે, નિર્વિષય વિષય કોને કહ્યો છે ? આ જગતમાં નિર્વિષયી વિષયો છે. આ શરીરને જરૂરિયાત માટે જે કંઈ દાળ-ભાત-શાક-રોટલી, જે ભેગું થાય તે ખાવ. એ વિષય નથી. વિષય ક્યારે કહેવાય ? કે તમે લુબ્ધમાન થાવ ત્યારે વિષય કહેવાય છે, નહીં તો એ વિષય નથી, એ નિર્વિષય વિષય છે. એટલે આ જગતમાં આંખે દેખાય તે બધું જ વિષય નથી, લુબ્ધમાન થાય તો જ વિષય છે. અમને કોઈ વિષય જ અડતો નથી. વિષયની જરૂર શી છે, તે જ હું સમજતો નથી. આ જાનવરો પણ જેનાથી કંટાળી ગયાં છે, તે વિષયમાં આ મનુષ્યોને મઝા આવે છે, આ કઈ અજાયબી છે તે ?! કેમ આ કીચડમાં ઝંપલાવે છે, એનો વિચાર જ નથી આવતો, એવા ‘બ્લંટ’ થઈ ગયા છે ! તેથી ભગવાન મહાવીરે પાંચમું મહાવ્રત બ્રહ્મચર્યનું ઘાલ્યું કે આજના મનુષ્યોને વિષયના કીચડનું ભાન જ નહીં રહે, માટે આ ચાર હતા, તેના પાંચ મહાવ્રત કરી આપ્યા. તેમના મનમાં એમ કે લોકો થોડું ઘણું વિચારે, આની જોખમદારી સમજે. આ તો ભયંકર વિકૃતિ કહેવાય. આનાં કરતાં તો નર્કનું દુઃખ સારું, નર્કની વેદના સારી, પણ આ વેદના તો બહુ ભયંકર ! (પા. ૩)મને કેટલાંક માણસો કહે છે કે, ‘આ વિષયમાં એવું શું પડ્યું છે કે વિષયસુખને ચાખ્યા પછી મારી જાત મરણતુલ્ય થઈ જાય છે, મારું મન મરી જાય છે, વાણી મરી જાય છે ?’ મેં કહ્યું કે, આ મરી ગયેલાં જ છે બધાં, પણ તમને ભાન નથી આવતું ને ફરી પાછી આની આ જ દશા ઉત્પન્ન થાય છે. નહીં તો બ્રહ્મચર્ય જો કદી સચવાય તો એક એક મનુષ્યમાં તો કેટલી શક્તિ છે ! આત્માનું જ્ઞાન કરે એ સમયસાર કહેવાય. આત્માનું જ્ઞાન કરે અને જાગૃતિ રહે એટલે સમયનો સાર ઉત્પન્ન થયો અને બ્રહ્મચર્ય એ પુદ્ગલસાર છે. એટલે આ વિષયમાં તો એક દહાડોય બગાડાય નહીં. એ તો જંગલી અવસ્થા કહેવાય. મન, વચન, કાયાથી બ્રહ્મચર્ય પાળે તો કેવું સરસ મનોબળ રહે, કેવું સરસ વચનબળ રહે ને કેવું સરસ દેહબળ રહે ! આપણે ત્યાં ભગવાન મહાવીર સુધી કેવો વ્યવહાર હતો ? એક-બે બચ્ચાં સુધી ‘વ્યવહાર’ કરવો. પણ આ કાળમાં એ વ્યવહાર બગડવાનો, એવું ભગવાન જાણતા હતા, તેથી એમને પાંચમું મહાવ્રત ઘાલવું પડ્યું. આ ઝેરને ઝેર જાણ્યું ?વિષયને ઝેર જાણ્યું જ નથી. ઝેર જાણે તો એને અડે નહીં ને ! તેથી ભગવાને કહ્યું કે જ્ઞાનનું ફળ વિરતિ ! જાણ્યાનું ફળ શું ? કે અટકી જાય. વિષયોનું જોખમ જાણ્યું નથી, માટે તેમાં અટક્યો નથી. ભય રાખવા જેવો હોય તો, આ વિષયનો ભય રાખવા જેવો છે. બીજી કોઈ આ જગતમાં ભય રાખવા જેવી જગ્યા જ નથી. માટે વિષયથી ચેતો. આ સાપ, વીંછી, વાઘથી નથી ચેતતા ? ચેતતા રહીએ છીએ ને ? જેમ વાઘની વાત આવે, ત્યારે એ ભય આપણે ના રાખવો હોય તોય એનો ભય લાગે છે ને ? તેમ વિષયની વાત આવે ને ભય લાગવો જોઈએ. ભય હોય ત્યાં ખાવાનું મોજથી જમે ? ના. એટલે ભય હોય ત્યાં મોજ ના હોય. જગત આ વિષયો ભયથી ભોગવતા હશે ? ના. આ તો લોકો મોજથી ભોગવે છે. ભય હોય ત્યાં ભોગવટો જ ના હોય. કોઈ કહેશે કે જલેબી ખાઉં ? તો હું કહું કે એ સારી છે, ખાજો (પા. ૪)નિરાંતે. દહીંવડા ખાજો, બધું ખાજો. આ બધામાં સ્વાદ લાગે છે. જ્ઞાનીને સ્વાદ સમજાય, પણ એમને આ સ્વાદમાં સારું-ખોટું ના હોય કે આ હોય તો જ મારે ચાલશે. વિષયનો તો જ્ઞાની પુરુષને સ્વપ્નેય વિચાર ના આવે. એ તો પાશવી વિદ્યા છે. મનુષ્યમાં ખુલ્લી પાશવતા કહેવામાં આવે તો આટલી જ છે. મનુષ્યપણું તો મોક્ષને માટે જ હોવું જોઈએ. અનંત અવતારની કમાણી કરે ત્યારે ઊંચું ગોત્ર, ઊંચા કુળમાં જન્મ થાય. પણ પછી લક્ષ્મી ને વિષયની પાછળ અનંત અવતારની કમાણી ખોઈ નાખે !!! પરવશતાઓ શીદને પોષાય ?મોક્ષની ઇચ્છા તો બધી બહુ છે, પણ મોક્ષનો રસ્તો મળતો નથી. એટલે અનંત અવતારથી રઝળપાટ જ કર્યો છે અને અવલંબન વગર જીવાતું નથી. એટલે સ્ત્રી જોઈએ છે, બધું જોઈએ છે. પૈણે છે, તેય આધાર ખોળે છે. તેથી પૈણે છે ને ! માણસ નિરાધાર રહી શકે નહીં ને ! નિરાલંબ રહી શકે નહીં ને !!! જ્ઞાની પુરુષ સિવાય બીજું કોઈ નિરાલંબ રહી શકે નહીં, અવલંબન ખોળે જ કશું ! આ કરોળિયો જાળું વીંટે, પછી પોતે મહીં પૂરાય. એવી રીતે આ સંસારનું જાળું પોતે જ ઊભું કરેલું છે. ગયા અવતારે પોતે માંગણી કરી હતી. બુદ્ધિના આશયમાં આપણે ટેંડર ભર્યું હતું કે એક સ્ત્રી તો જોઈશે જ. બે-ત્રણ રૂમ હશે, એકાદ છોકરો ને એકાદ છોકરી, નોકરી એટલું જ જોઈશે. તેને બદલે વાઈફ તો આપી તે આપી, પણ સાસુ-સસરો, સાળો-સાળાવેલી, માસી સાસુ, કાકી સાસુ, ફોઈ સાસુ, મામી સાસુ, ...... હેય ફસામણ, ફસામણ !!! આટલી બધી ફસામણ જોડે આવશે એવી ખબર હોત તો આ માંગણી જ ના કરત બળી ! આપણે તો ટેંડર ભર્યું હતું વાઈફ એકલીનું, તે આ બધું શું કરવા આપ્યું ? ત્યારે કુદરત કહે છે, ‘ભઈ, એ એકલું તો ના અપાય, મામી સાસુ, ફોઈ સાસુ એ બધું આપવું પડે. તમને ત્યાર વગર ગમે નહીં. આ તો લંગર બધું હોય ત્યારે જ બરાબર મઝા આવે !!’ એક આટલું લેવા જઈએ ત્યાર હોરું કેટલી વળગાડ, કેટલી બધી (પા. ૫)પરવશતાઓ ! એ પરવશતા પાછી સહન થાય નહીં. પ્રશ્નકર્તા : આ મન-વચન-કાયાનાં જ લફરાં ગમતાં નથીને હવે ! દાદાશ્રી : આમાં તો છ ભાગીદાર છે. પૈણ્યા એટલે એમાં પાછા બીજા છની ભાગીદારી, એટલે બાર ભાગીદારોનું કોર્પોરેશન ઊભું થયું પાછું. છમાં તો કેટલી બધી લઢવાડો ચાલે જ છે, ત્યાં પાછી બારની લઢવાડો ઊભી થાય. પછી દરેક છોકરે છોકરે નવા છ ભાગીદારો પાછા મહીં ઉમેરાય. એટલે કેટલી ફસામણ ઊભી થઈ જાય !!! પરણ્યાના પરિણામો તો જુઓહવે તારે સંસારમાં શું શું જોઈએ છે ? એ કહેને. પ્રશ્નકર્તા : મારે તો આ શાદી જ નથી કરવી. દાદાશ્રી : આ દેહ જ નર્યો ઉપાધિ છે ને ? પેટમાં દુઃખે ત્યારે આ દેહ ઉપર કેવું થાય છે ? તો બીજાની દુકાન સુધી વેપાર માંડીએ, તો શું થાય ? કેટલી ઉપાધિ આપે ? અને પાછા બે-ચાર છોકરાં હોય. બઈ એકલી હોય તો ઠીક છે વળી, એ પાંસરી રહે પણ આ તો ચાર છોકરાં !! તે શું થાય ? પાર વગરની ઉપાધિ !! નરી ‘ફાઈલો’ જ વધી જાય. એટલે ભગવાને એવું કહ્યું છે કે ઔપચારિક ના કરશો. અનુપચાર એટલે તમે જેનો ઉપચાર પણ કર્યો નથી એવો આ દેહ છે, તે તો છૂટકો જ નથી. પણ પેલો ઉપચાર કરે છે, પૈણે છે, વ્યાપાર માંડે છે, એ ના કરશો. ને આને હવે ઉપચાર કરવાની ઇચ્છા નથી, તેથી કહે છે કે શાદી જ નથી કરવી. યોનિમાંથી જન્મ લે છે. તે યોનિમાં તો એટલાં બધાં ભયંકર દુઃખોમાં રહેવું પડે છે ને મોટી ઉંમરનો થાય કે યોનિ ઉપર જ પાછો જાય છે. આ જગતનો વ્યવહાર જ એવો છે. કોઈએ સાચું શીખવાડ્યું નથી ને ! મા-બાપેય કહે કે પૈણો હવે. અને મા-બાપની ફરજ તો ખરી ને ? પણ કોઈ સાચી સલાહ ના આપે કે આમાં આવું દુઃખ છે. એ તો કહેશે, પૈણાવો હવે. જેથી એને ત્યાં છોકરો થાય તો હું દાદો થાઉં. બસ, આટલી જ એમને (પા. ૬)લ્હાય હોય. ‘અરે, પણ દાદા થવા માટે મને શું કામ આ કૂવામાં નાખો છો ?’ બાપાને દાદા થવું હોય એટલા હારું આપણને કૂવામાં નાખે. લગ્નમાં તો કેટલાંય એકસીડન્ટ થાય છે, છતાં કેટલાંય લગ્ન થાય છે ને ? આ તો લગ્નના કૂવામાં પડવું પડે છે. કશું ના હોય તો છેવટે મા-બાપ પણ ઊંચકીને એ કૂવામાં નાખે. એ લોકો ના નાખે તો મામો ઊંચકીને નાખે. આવું છે આ ફસામણવાળું જગત ! લગ્ન એ તો ખરેખરું બંધન છે. ભેંસને ડબ્બામાં પૂરે છે એવી દશા થાય છે. એ ફસામણમાં ના પેસાય એ ઉત્તમ, પેઠા હોય તોય નીકળી જવાય તો વધુ ઉત્તમ અને નહીં તોય છેવટે ફળ ચાખ્યા પછી નીકળી જવું જોઈએ !!! પરણતાં પહેલાં દસ દહાડા પહેલાં વહુ જો ગાડીમાં મળી હોય તો તે ધક્કો મારે. એને પાછી પોતે પાસ કરી. લ્યો, એ વાઈફ થઈ ગઈ ! કોની છોડી, કોનો છોકરો, નહીં કશી લેવાદેવા ! વાઈફ મરી જાય તો પાછા રડે. શાથી એ રડે છે ? એ ક્યાં આપણી સગી હતી ? માની સગાઈ સાચી કહેવાય, ભાઈની સગાઈ કહેવાય, બાપની સગાઈ કહેવાય. પણ વાઈફની શી સગાઈ કહેવાય ?! પારકા ઘરની છોડી, તે જોવા ગયો હતો તે ઘડીએ તો આમ ફરો, આમ ફરો કરતો હતો, મરજીમાં આવે તો સેંક્શન કરે. ઘેર લાવે. પછી પાછો મેળ ના પડે, તો કહેશે કે ડાયવોર્સ લો. એક ભાઈ મને કહે છે કે મારી વાઈફ વગર મને ઓફિસે ગમતું નથી. અલ્યા, એક વાર હાથમાં પરુ થાય તો તું ચાટું ? નહીં તો શું જોઈને સ્ત્રીમાં મોહ પામે છે ?! આખું શરીર પરુથી જ ભરેલું છે. આ પોટલી શાની છે, એના વિચાર ના આવે ? ભલે આચાર ના છૂટે પણ વિચાર તો ના આવવો જોઈએ ? મનુષ્યને એની સ્ત્રી પર પ્રેમ છે, એના કરતાં ભૂંડને ભૂંડણ પર વધારે પ્રેમ છે. આ તે કંઈ પ્રેમ કહેવાતો હશે ? આ તો પાશવતા છે નરી ! પ્રેમ તો કોનું નામ કે જે પ્રેમ વધે નહીં, ઘટે નહીં એ પ્રેમ કહેવાય. આ તો બધી આસક્તિ છે. વધી ગઈ તો આસક્તિ ને ઘટી ગઈ એ વિકર્ષણ શક્તિ. જો એરિંગ સારાં લાવી આપ્યાં, હીરાના કાપ સારા લાવી આપ્યા તો બઈ આસક્તિમાં ને આસક્તિમાં ખુશ, ને ના લાવી આપ્યા તો, ‘તમે આવા છો, તમે તેમ છો,’ તે પછી ઝઘડા નથી થતાં ? (પા. ૭)મતભેદ નથી થતાં બળ્યા ?! આમાં શું સુખ છે, તે પડી રહ્યા છો ? શું માન્યું છે તમે ? અનંત અવતારથી ભટક ભટક કરો છો, તે હજુ ભટકવાનો શો શોખ પડ્યો છે તમને ? શું થયું છે તમને ? વીતરાગ ભગવાનના ભક્તોનેય ચિંતા ? જ્યારે શાસ્ત્ર વાંચે, તેટલો વખત જરાક મહીં ઠંડક રહે. તેય પાછું વાંચતા વાંચતા યાદ તો મહીં આવી જાય કે આજે કારખાનામાં તો પેલી બારસોની ખોટ ગઈ છે. તે એને કૈડે હઉ પાછું !!! આખો દહાડો કૈડ, કૈડ ને કૈડ. અંદર પેલું કૈડે ને બહાર માકણ, મચ્છર જે હોય તે કૈડે. રસોડામાં બાઈ કૈડે. મેં એક જણને પૂછયું, ‘કેમ કંટાળી ગયા છો ?’ ત્યારે એ કહે કે, ‘આ બઈ સાપણની પેઠ કૈડે છે.’ એવીય બૈરી કેટલાંક લોકોને મળે છે ને ?! આખો દહાડો ‘તમે આવા ને તમે તેવા’ કર્યા કરે, તે જંપીને ખાવાય ના દે બિચારાને ! હવે એ બાઈ શું સુખ આપી દેવાની છે ? એ કંઈ ‘પરમેનન્ટ’ સુખ આપે ? તો શા સારુ પોતે દબાયેલો બેસી રહે છે ? વિષય ભૂખ્યો છે એટલે. નહીં તો નિર્વિષયીને ડરાવનાર કોણ ?! એક વિષય માટે પડી રહેવાનું અને પોતાની સ્વતંત્રતા ખોવાની ? બૈરી-છોકરાની જંજાળ અને તે અનંત અવતાર બગાડી નાખે. જે આમાંથી કુદરતી રીતે છૂટ્યો, તેની તો વાત જ શી કરવાની ? આખી દુનિયાનો એ એંઠવાડોબાકી વિષયભોગ એ તો નર્યો એંઠવાડો જ છે. આખી દુનિયાનો એંઠવાડો છે. આત્માનો આવો ખોરાક તે હોતો હશે ? આત્માને બહારની કશી વસ્તુની જરૂર નથી, નિરાલંબ છે. કોઈ અવલંબનની એને જરૂર નથી. પરમાત્મા જ છે પોતે. નિરાલંબ અનુભવમાં આવે, એટલે પરમાત્મા થઈ જ ગયો !!! એને કશું જ અડે નહીં. ભીંતોની આરપાર ચાલ્યો જાય એવો આત્મા અંદર છે, અનંત સુખનું ધામ છે ! આ ખોખાને આપણે શું કરવાનું ? ખોખું તો કાલે સડી જાય, પડી જાય, કોહવાઈ જાય, ખોખું તો શાનું બનેલું છે ? એ આપણે નથી જાણતા ? છતાં લોકો ભૂલી જાય છે ને ? ભૂલી જતાં હશે લોકો ? પણ (પા. ૮)આ ખોખું તમનેય ભૂલથાપ ખવડાવી દે. અમારે જ્ઞાની પુરુષને આમ આરપાર દેખાય. કપડાં બધું હોય છતાં કપડાંની મહીં, ચામડીની મહીં જેમ છે તેમ યથાવત દેખાય. પછી રાગ ક્યાં થાય ? પોતે એક આત્મા જ જુએ ને બીજો બધો તો આ કચરો છે, સડેલો માલ છે. એમાં શું જોવા જેવું છે ?! ત્યાં જ રાગ થાય છે. એ જ અજાયબી છે ને ! પોતે નથી જાણતો ? જાણે છે બધું જ, પણ એને આવી સમજ આપી નથી. જ્ઞાનીઓએ માલ પહેલેથી જ જોયેલો છે. આમાં નવું શું છે તે ? પાછો વહુની જોડે સૂઈ જાય છે. અલ્યા, આ માંસને જ દાબીને સૂઈ જાય છે ?! પણ એ તો ભાન નથી ને ! એનું નામ જ મોહ ને ?! અમને નિરંતર જાગૃતિ હોય, એવરી સેકન્ડ જાગૃતિ હોય, એટલે અમે બધું જાણીએ કે નર્યું માંસ જ છે આ બધું. હવે આવી વાત કોઈ કરતું નથી ને ? કારણ લોકોને વિષય ગમે છે. એટલે આ વાત કાઢે નહીં ને કોઈ ! જે નિર્વિષયી છે એ જ આ વાત કાઢે, નહીં તો આવું ખુલમ્ ખુલ્લું કોણ કહે ? છેવટે તો આ બધું છોડ્યા વગર છૂટકો જ નથી. તમે અમને કહો કે મારે બ્રહ્મચર્યવ્રત લેવું છે. તો અમે હા પાડીએ. શાથી ? કે ભઈ બહુ સારું છે બા, ખરો સુખી થવાનો માર્ગ આ છે, જો ઉદય તમારો હોય તો. નહીં તો પૈણો. પૈણીને અનુભવો. એક ફેરો અનુભવ થયો એટલે પછી બીજા અવતારમાં છૂટી જશે. પ્રશ્નકર્તા : કો’ક છૂટી જાય, નહીં તો બાકી છૂટવું મુશ્કેલ છે. દાદાશ્રી : એ અનુભવને નોંધ કરે તો છૂટે. અમે તો ક્ષણે ક્ષણે નોંધ કરવાવાળા. પ્રશ્નકર્તા : એવો તો કો’ક જ નોંધ કરવાવાળો હોય. નહીં તો કીચડમાં ઊતરતો જ જાય. દાદાશ્રી : હા, એ તો કાદવ જ છે, ઊંડો કાદવ છે. એમાં ઊતરતો જ જાય. રીસર્ચ તો નિર્વિષયી હોય તે કરી શકે. વિષયી માણસ રીસર્ચ કરી શકે જ નહીં. (પા. ૯)સુખનાં સાધન કે અશુચિનું સંગ્રહસ્થાન ?જ્યાં ભ્રાંતિરસમાં જગત તદાકાર પડ્યું છે. ભ્રાંતિરસ એટલે ખરેખર રસ નથી, છતાં માની બેઠો છે ! શું યે માની બેઠો છે !! એ સુખનો ફોડ પાડવા જાય ને, તો નરી ઊલટીઓ થાય !!! આ શરીરની રાખોડી થાય છે અને એ રાખોડીનાં પરમાણુથી ફરી શરીર બંધાય છે. તે અનંત અવતારની રાખોડીનાં આ પરિણામ છે. નર્યો એંઠવાડો છે ! આ તો એંઠવાડાનો એંઠવાડો ને તેનોય એંઠવાડો !! એની એ જ રાખોડી, એના એ જ પરમાણુ બધા, એનું ફરી ફરી બંધાયા કરે છે !!! વાસણને બીજે દહાડે અજવાળીએ એટલે એ દેખાય ચોખ્ખાં પણ અજવાળ્યા વગર એમાં જ રોજ રોજ ખા ખા કરે તો ગંદવાડો નથી ? પુદ્ગલના જે ગુણો છે ને, જે સ્થૂળ ગુણો કે જે આંખે દેખાય એવા છે, કાનથી સંભળાય, આમ સ્પર્શથી અનુભવમાં આવે, નાકને સુગંધ આપે, જીભને સ્વાદ આપે એવા છે. પુદ્ગલના ગુણો અને આ પ્રાકૃતિક ગુણો બે ભેગા થયા છે. પ્રાકૃતિક ગુણો એ મિશ્ર ચેતનના છે અને પુદ્ગલના જે ગુણો છે, એ બધું ભેગું થઈને આ લોહી-પરુને આ બધું ઊભું થઈ ગયું ને સંસાર ઊભો થઈ ગયો છે. તેથી આ જગત બધું મૂંઝાયું છે. પોતાની અજ્ઞાનતાને લઈને એને આ બધી અશુચિનું ભાન રહેતું નથી ને ભાન નથી રહેતું એટલે આ સંસાર ઊભો રહ્યો છે. રાતે જલેબી ખાય છે, તે સવારમાં જલેબીની શી દશા થશે ? એવું ભાન રહે છે લોકોને ? શાથી ભાન નથી રહેતું ? કારણ પુદ્ગલના ગુણમાં જ અનુરાગ છે એને. આ તો પુદ્ગલ છે, આ પૂરણ થયું છે અને પેલું ગલન થાય છે એવું ભાન જ નથી ને ? જ્યારે ગલન થાય છે, સવારના પહોરમાં ત્યારે ચીતરી ચઢે છે ?! અલ્યા, બેઉ પુદ્ગલ જ છે. બેઉ પુદ્ગલના જ ગુણો છે, પણ એને અશુચિનું ભાન નથી એટલે જલેબી ખાતી વખતે ટેસ્ટથી ભોગવે છે ને ?! પ્રશ્નકર્તા : આત્મા ને પુદ્ગલનો સંયોગ થાય એટલે દરેકને આમ જ થાય ને ? (પા. ૧૦)દાદાશ્રી : ના, પણ એને ભ્રાંતિ છે ત્યાં સુધી જ. બાકી ‘હું કોણ છું’ એનું ભાન નથી રહ્યું એટલે બેભાનપણે આવું ચાલ્યા કરે છે. ભાન થયા પછી પોતે છૂટો પડી ગયો. પછી એને વિષયસુખ મોળાં લાગે. જલેબી ખાધા પછી ચા પીધેલી ? તો મોળી લાગે ને ? પછી આપણે ચામાં ઘણો ટેસ્ટ કરવા જઈએ, પણ ટેસ્ટ ના બેસે. એવું આ જગત અસરવાળું છે !!! અરે, આમ સરસ દૂધપાક ખાધો હોય, તેય ઊલટી કરી નાખે તો કેવો દેખાય ? રૂપાળું હાથમાં ઝલાય એવું દેખાય ? હમણાં મહીં રેડ્યું હતું તે જ પાછું નીકળ્યું, તે હાથમાં કેમ ના ઝલાય ? એટલે આ મહીં અશુચિનું સંગ્રહસ્થાન છે. મહીં રેડતાંની સાથે જ અશુચિ થઈ જાય છે. વાડકો ચોખ્ખો હોય, દૂધપાક સારો હોય પણ મહીં રેડીએ, ને એનો એ જ દૂધપાક પછી ઊલટી કરીને આપે કે ફરી પી જાવ, તો ના પી જાય ને કહેશે, જે થવાનું હશે તે થશે, પણ નહીં પીઉં. એટલે આ બધું ભાન રહેતું નથી ને !!! સાચો કેરીનો ભોગ, વિષય કરતાંઆ જલેબી નીચે ધૂળમાં પડી હોય. પછી એ આપે કે ખાઈ જાવ તો ખાય કે ના ખાય ? ના. કેમ ? આમ મોઢામાં તો ગળી લાગે છે તોય ? જોઈને જ ના પાડી દે ને ? આમ રૂપાળી કેરી હોય પણ ખાટી નીકળી તો ? તોય કહેશે, ના, નથી ખાવી. એટલે આટલું બધું આ લોકો જોઈને ખાય છે. જીભ ના પાડે તોય ફેંકી દે, આંખ એકલી ના પાડે તોય ના પાડી દે છે, નાક એકલું ના પાડે તોય છોડી દે છે. એટલે આમાં પાંચેય ઇન્દ્રિયો ખુશ થાય ત્યારે એ વસ્તુને ખાય છે. પણ આ વિષય એકલો એવો છે કે બધી ઇન્દ્રિયને એ ગમતું જ નથી. છતાં ‘એને’ વિષયમાં મઝા આવે છે, એય અજાયબી છે ને !! પાંચ ઇન્દ્રિયના વિષયમાં એક જીભનો વિષય એકલો સાચો વિષય છે. બીજા બધા તો બનાવટ છે. શુદ્ધ વિષય હોય તો આ એકલો જ ! ફર્સ્ટ ક્લાસ હાફૂસની કેરીઓ હોય, તે કેવો સ્વાદ આવે ?! ભ્રાંતિમાં જો (પા. ૧૧)કદી શુદ્ધ વિષય હોય તો આટલો જ છે. ચોખ્ખો ખોરાક મળતો હોય ને એનો સ્વાદ બેભરમો ન થયો હોય, તો એ વિષય સ્વીકારાય એવો છે. છે તો આ પણ કલ્પિત જ, પણ ઊંચામાં ઊંચું કલ્પિત છે. આની મહીં વિચારણા કરીએ તો ઘૃણા ના છૂટે ને વિષયમાં તો વિચાર કરીએ તો ઘૃણા છૂટે. વિષયોમાં ભોગ છે જ નહીં, પણ માને છે કે આ ભોગ છે. ભોગમાં તો પાંચેય ઇન્દ્રિયો ખુશ હોય. આ કેરી એ ભોગ કહેવાય. એની સુગંધ સારી હોય, સ્પર્શેય સારો હોય, સ્વાદ પણ આવે, આંખને આમ ગમે. જ્યારે આ વિષયમાં તો કશું છે જ નહીં. એ તો ફૂલ્સ પેરેડાઈઝ છે. વિષયમાં કોઈ ઇન્દ્રિય ખુશ થતી નથી. આંખોય અંધારું ખોળે. કેરી જોવા માટે આંખો અંધારું ખોળે ? નાક કહે કે ડૂચા મારી દો ? માણસો ગંધાતાં હશે ખરાં ? બે દહાડા ના નહાય તો શું થાય ? આ કેરી જેવા ગંધાય ? એટલે આ વિષયો તો નાકને જરાય ના ગમે, આંખનેય ના ગમે. જીભની તો વાત જ શી કરવી ?! ઊલટી આવે એવું હોય છે. આ કેરી બગડે છે પછી સોડે તો ગમે ? બગડેલી કેરીને અડવાનું, સ્પર્શ કરવાનું ગમે ? એટલે ત્યાં પછી ભોગવવાનું જ ક્યાં હોય ? કોઈ ઇન્દ્રિયો એક્સેપ્ટ કરતી નથી, છતાં આ વિષય ભોગવે છે, એ અજાયબી છે ને ?! આ વિચાર કરજો બધુ. તમને બાવો બનાવવા નથી આવ્યો. આ ખોટી માન્યતા કેટલી બધી ઘૂસી ગઈ છે, તે કાઢવાની જરૂર છે. વિષય સંબંધમાં વિગતવાર સમજી લેવામાં આવે તો વિષય રહેતો જ નથી. અમારી રીતે કોઈનેય ના સમજાય અને કહીએ તો બીજે દહાડે ભૂલી જાય. બાકી વિષય એ વિચાર્યા વગરની વાત છે. આ લોકો દેખાદેખીથી એમાં પડ્યા છે. ખાલી લોકસંજ્ઞા છે એ અને જ્ઞાનીની સંજ્ઞા, જો કદી જ્ઞાનીને પૂછયું હોય તો આમાં કોઈ પડે જ નહીં. એક પણ ઇન્દ્રિય આને ‘પાસ’ ના કરે. એટલે જ્ઞાનીઓએ કહેલું કે જ્યાં સુખ નથી, ત્યાં ક્યાં સુખ માની બેઠા છો ? પણ આ વિષયમાં એને મૂર્છા બહુ છે. એટલે મૂર્છાને લીધે એને ભાન નથી રહેતું. (પા. ૧૨)સર્વ ઈન્દ્રિયોએ વખોડ્યો વિષયવિષય એ સંડાસ છે. નાક, કાનમાંથી, મોઢામાંથી બધેથી જે જે નીકળે છે, એ બધું સંડાસ જ છે. ડિસ્ચાર્જ એય સંડાસ જ છે. જે પારિણામિક ભાગ છે, તે સંડાસ છે પણ તન્મયાકાર થયા વગર ગલન થતું નથી. સંડાસ થાય છે, તે પણ મહીં કૉઝીઝ થાય છે, તેનું પરિણામ છે. દૂધપાક-પૂરી કોને ના ગમે ? પણ ભગવાન કહે છે કાલ સવારે એ સંડાસ થશે. વિષયને સંડાસ શાથી કહ્યો ? એટલા માટે જ કે એ ગલન થાય છે. વિચારવાન માણસ વિષયમાં સુખ શી રીતે માની બેઠો છે, તેની જ મને નવાઈ લાગે છે ! વિષયનાં પૃથક્કરણ કરે તો ખરજવાને વલૂરવા જેવું છે. અમને તો ખૂબ ખૂબ વિચાર આવે ને થાય કે અરેરે ! અનંત અવતાર આનું આ જ કર્યું ?! જેટલું આપણને નથી ગમતું, તે બધું જ વિષયમાં છે. નરી ગંધ છે. આંખને જોવું ના ગમે. નાકને સૂંઘવું ના ગમે. તેં સૂંઘી જોયું’તું ? સૂંઘી જોવું હતું ને ? તો વૈરાગ તો આવે. કાનને રુચે નહીં. ફક્ત ચામડીને રુચે. લોક તો ખોખાંને જુએ, માલને ના જુએ. ખોખામાં તો જે ચીજ નથી ગમતી, તે જ ચીજો ભરેલી છે. નર્યો દુર્ગંધનો કોથળો છે ! પણ મોહને લીધે ભાન નથી રહેતું ને તેથી તો જગત આખું ચક્કરે ચઢ્યું છે. આ વાંદરા સ્ટેશનની ખાડી આવે છે, તેની ગંધ ગમે ? એથી પણ બૂરી ગંધ આ ખોખામાં છે. આંખને ના ગમે એવા ચિત્ર-વિચિત્ર પાર્ટસ્ મહીં છે. આ કોથળામાં તો પાર વગરનો વિચિત્ર ગંદવાડો છે. આ આપણી મહીં હૃદય છે. તે જ લોચો કાઢીને આપણા હાથમાં મૂકે તો ? અને કહે કે જોડે હાથમાં રાખીને સૂઈ જા, તો ? ઊંઘ જ ના આવે ને ? આ તો દરિયાના વિચિત્ર જીવડા જેવું દેખાય. જે નથી ગમતું એ બધું જ આ દેહમાં છે. આ આંખો આમ બહુ રૂપાળી દેખાતી હોય, પણ મોતિયો આવ્યો ને એ ધોળી આંખો દેખી હોય તો ? ના ગમે. ઓહોહો ! વધારેમાં વધારે દુઃખ આમાં છે. આ દારૂ જે કેફ કરે છે, એ દારૂની ગંધ માણસને ગમતી નથી અને આ વિષય તો સર્વ ગંધનું કારણ છે. બધી જ ના ગમતી વસ્તુઓ (પા. ૧૩)ત્યાં છે. હવે શું હશે આ અજાયબી ?! આમાંથી છૂટ્યા એટલે પછી રાજા. ભૂખ્યા જ ના હોય, તેને શું ? ભૂખ્યો હોય, તે હોટલોમાં પેસે ને ?! જ્યાં ને ત્યાં ડાફોડિયું મારે, પણ જે જમ્યો છે, જમીને નિરાંતે ફરે છે, રસ-રોટલી ખઈને ફરે છે, એ શાના હારુ ત્યાં હોટલોમાં પેસે ? ગંદવાડાવાળી હોટલો ! વિષયને ઊંડો વિચારવાથી એ જ લાગે કે આ ગટર તો ઉઘાડવા જેવી જ નથી. કેટલું બધું બંધન ! આ જગત તેથી જ ઊભું રહ્યું છે ને !! બુદ્ધિથી વિચાર્યું વિષયને કદિ ?વિષય તો મૂર્ખોય ના ચાહે એવી વસ્તુ છે. બુદ્ધિનો સંપૂર્ણ પ્રકાશ થયેલો હોય, બુદ્ધિનો વિકાસ પામેલો હોય, તે પણ વિષયથી ડરે બિચારો. કારણ કે વિષય એ તો સાવ ગાંડામાં ગાંડી વસ્તુ જેવું છે. આ કાળમાં, આ તો બળતરાને લઈને વિષયના કાદવમાં પડે છે. નહીં તો કોઈ કાદવમાં પડે નહીં ને ! બહુ બળતરા હોય, ત્યારે માણસ શું કરે ? એટલે ઊંધો ઉપાય કરે. વિષય જો વિચારવામાં આવે તો વિચારક માણસને એ ગમે જ નહીં. એટલે બુદ્ધિથીય વિષય છૂટે એવો છે. તેમાં પછી જ્ઞાનને અને આને શી લેવાદેવા ?! વિષય પર જો વિચાર કર્યો હોતને, તો એને વિષય તો બિલકુલ ગમત જ નહીં. ચોખ્ખી બુદ્ધિવાળાને વિષયનું પૃથક્કરણ કરી આપવાનું કહીએ તો, ‘વિષય થૂંકવા જેવી પણ વસ્તુ નથી.’ એમ કહે. એટલે ચોખ્ખી બુદ્ધિ હોય, એને તો વિષય ગમે જ નહીં. એ અડે જ નહીં ને ! પણ બુદ્ધિમાં મળ જામી ગયેલો હોય, તેને તો બધું ઊંધું જ દેખાય. પ્રશ્નકર્તા : આ મનુષ્ય જાતિમાં બ્રહ્મચર્ય રહે નહીં, એનું શું કારણ ? મોહ છે ? રાગ છે ? દાદાશ્રી : બુદ્ધિપૂર્વકનું સુખ નથી આ. અવિચાર્યું સુખ છે. લોકોએ માન્યું, એ આપણેય માન્યું. એ માન્યતાનું જ સુખ છે ખાલી અને જલેબી સુખદાયી છે એ બુદ્ધિપૂર્વકનું સુખ છે. વિષય એ તો બુદ્ધિપૂર્વકનો ખેલ નથી, આ તો મનનો ખાલી આમળો જ છે. કોઈ પણ બુદ્ધિશાળી માણસ જો બુદ્ધિથી વિષયને સમજવા જાય તો બુદ્ધિ વિષયને લેટ ગો કરે નહીં. આ બુદ્ધિશાળીઓ લેટ ગો કરે (પા. ૧૪)છે, એનું શું કારણ ? લોકની સંજ્ઞા પ્રમાણે ચાલે, એટલે પેલી બાજુનું આવરણ તૂટ્યું નથી, એક જણે કહ્યું કે બુદ્ધિપૂર્વકમાં શું વાંધો છે ? ત્યારે મેં કહ્યું, બુદ્ધિપૂર્વકની ચીજો અજવાળામાં કરવાની હોય. સીક્રસી (ખાનગી) ના હોય. હજાર માણસની હાજરીમાં બેસીને જલેબી ખવાય ? જલેબીમાં વાંધો નહીં ને ? એને શરમ ના આવે ? પ્રશ્નકર્તા : ના. શરમ ના આવે, રોફથી ખવાય ! દાદાશ્રી : એટલે વિષયને જો માણસ વિચારે ને, જો વિચાર કરતાં આવડે ને, તો એ વિષય ભણી કોઈ દિવસ જાય જ નહીં. પણ વિચાર કરતાં જ નથી આવડતું ને ?! વિષય એ અજાગૃતિ છે. વિષય પોષાય જ કેમ કરીને ? જે વિચારે કરીને ગમે એવી વસ્તુઓ નથી, તે જ વસ્તુનો સંબંધ કેમ પોષાય ? નર્યો ગંદવાડો દેખાય વિષયમાંહવે કેટલાંક લોકો ચારિત્ર લેવા માંડ્યા છે. કારણ કે વિષયમાં એટલો બધો ગંદવાડો છે કે જેનો નિબંધ લખવો હોય તો નિબંધ લખતાં જ ચીતરી ચઢે. આ તો ઠીક છે, એક જાતની હેબિટ પડી ગઈ છે. મૂળ અજ્ઞાનતામાં, બેભાનપણામાં ચૂંથારો ચૂંથ્યો. હવે ભાન થયા પછી શું કંટાળો ના આવે ? આ તદ્દન ગંદવાડાનું સુખ છોડવાનું છે. એ તો ગંદવાડો દેખીને જ છોડી દેવાનું છે. જો આ વિષયનું સુખ છોડી દે, તો આખી દુનિયાનો માલિક થઈ જાય. ખરેખર તો એ સુખ જ ન હોય. આ જલેબીમાં સુખ કહેવાય, શ્રીખંડમાં સુખ કહેવાય, એમાં ના ન કહેવાય. પણ આ વિષયમાં તો સુખ જ ન હોય. મને તો આ વિષયનો એટલો બધો ગંદવાડો દેખાય કે મને આમ ને આમ સહેજે એ બાજુનો વિચાર ના આવે. મને વિષયનો કોઈ દહાડો વિચાર જ નથી આવતો. મેં એટલું બધું જોઈ નાખેલું, એટલું બધું જોયેલું કે મને માણસ આરપાર દેખાય એવું જોયેલું. વિષયનું જો પૃથક્કરણમાં (પા. ૧૫)આવે, જ્ઞાનથી નહીં પણ બુદ્ધિથી, તોય માણસ ગાંડો થઈ જાય. આ તો બધું અણસમજણથી ઊભું છે. ડુંગળીની ગંધ કોને આવે ? જે ડુંગળી ખાય તેને ગંધ ના આવે. જે ડુંગળી ના ખાતો હોય તેને તરત જ ગંધ આવે. વિષયોમાં પડ્યો છે તેથી વિષયોમાં ગંદવાડો સમજાતો નથી. એટલે વિષય છૂટતો નથી ને રાગ કર્યા કરે છે. એય બેભાનપણાનો રાગ છે. આત્મા એક જ માંસ સ્વરૂપ નથી. બીજું બધું નર્યું માંસ જ છે ને ?! જેમ આહારી આહાર કરે છે, તેમ વિષયી વિષય કરે છે. પણ વાત સમજવી જોઈએ ને ? અને એ લક્ષમાં રહેવું જોઈએ ને ? આહાર તો રોજ સરસ ખાતો હોય, પણ ચાર દહાડાનો ભૂખ્યો હોય તો લીંટ પડેલો ગંદો રોટલોય ખાશે. આ ખોરાક તો સારો હોય છે, પણ આ વિષય તો એથીય ગંદવાડો છે. ભૂખની બળતરાને લઈને ગંદો રોટલો ખાય છે. એવી આ બળતરાને લઈને વિષય ભોગવે છે. પણ આ ગંદો રોટલો ખાતી વખતે ‘ચાલશે’ કહે છે. પણ ફરી ખાવાની ઇચ્છા રહે છે ? ના ! એ તો ફરી ખાવાની ઇચ્છા કોઈનેય ના હોય. પણ વિષયમાં એવું રહેતું નથી ને ? વિષયમાં પણ એવું રહેવું જોઈએ. આ મુસલમાન માંસાહાર કરે, તે રાજીખુશીથી કરે છે ને ? અને તમને માંસાહાર કરવાનો કહ્યો હોય તો ? ચીતરી ચઢે ને ? એનું શું કારણ ? કારણ કે માંસાહાર કરનારનું ડેવલપમેન્ટ જુદું છે અને તમારું ડેવલપમેન્ટ જુદું છે. જેમ જેમ ડેવલપમેન્ટ ઊંચું ચઢતું જાય, તેમ તેમ સંસારની વસ્તુ પર ચીતરી ચઢતી જાય. આ વિષય પર ચીતરી ચઢતી નથી ને ? પણ એ તો બીજી બધી ગંદી વસ્તુ કરતાંય વધારે ભૂંડું છે. છતાં લોકોને આની ખબર પડતી નથી. એટલે કેટલી બધી ડેવલપમેન્ટની કચાશ છે. આ ભજિયામાં પરસેવો પડતો હોય એવું દેખે છે છતાં ખાય છે, તો એ ડેવલપમેન્ટ કેટલું કાચું ?! કારણ કે આ ગંદવાડો સમજાયો જ નથી. આ શરીર આમ રૂપાળું લાગે છે પણ આ ગંજીફરાક કાઢીને મોઢામાં ઘાલો ત્યારે ખબર પડે કે એ કેવું છે ! એ કેવું લાગે ? ખારું લાગે ને ? ગંધાય ! જેની જોડે ઊભાં રહેતાંય ગંધ મારે છે, ત્યાં એની જોડે વિષય શી રીતે ઊભો થાય છે ? આ કેટલી બધી ભ્રાંતિ છે !!! (પા. ૧૬)સાચું સુખ શેમાં ?માણસને રોંગ બિલીફ છે કે વિષયમાં સુખ છે. હવે વિષયથીય ઊંચું સુખ મળે તો વિષયમાં સુખ ના લાગે ! વિષયમાં સુખ નથી પણ દેહધારીને વ્યવહારમાં છૂટકો જ નહીં. બાકી જાણી જોઈને ગટરનું ઢાંકણું કોણ ખોલે ? વિષયમાં સુખ હોય તો ચક્રવર્તીઓ આટલી બધી રાણીઓ હોવા છતાં સુખની શોધમાં ના નીકળત ! આ જ્ઞાનથી એવું ઊંચું સુખ મળે છે. છતાં આ જ્ઞાન પછી તરત વિષય જતાં નથી, પણ ધીમે ધીમે જતાં રહે. છતાં પણ પોતે વિચારવું તો જોઈએ કે આ વિષયો એ કેટલો ગંદવાડો છે ! પુરુષને સ્ત્રી છે એવું દેખાય તે પુરુષમાં રોગ હોય તો ‘સ્ત્રી છે’ એવું દેખાય. પુરુષમાં રોગ ના હોય તો સ્ત્રી ના દેખાય. જ્ઞાનીઓને આરપાર દ્રષ્ટિ હોય. જેવું છે તેવું દેખાય. એવું દેખાય તો પછી વિષય રહે ? એનું નામ જ્ઞાન. જ્ઞાન એટલે આરપાર જેમ છે તેમ દેખાવું. આ હાફૂસની કેરી હોય તો તે વિષયની અમે ના ન પાડીએ. એને જો કાપે તો લોહી ના દેખાય, તો એ નિરાંતે ખા. આ તો કાપે તો લોહી નીકળે, પણ એની જાગૃતિ રહેતી નથી ને ? તેથી માર ખાય છે. તેથી આ સંસાર ઊભો રહ્યો છે. આ જ્ઞાનથી જાગૃતિ પછી ધીમે ધીમે વધતી જાય, વિષય ખલાસ થતો જાય. મારે બંધ કરવાનું કહેવું ના પડે. એની મેળે જ તમારે બંધ થતું જાય. હંમેશાં દુષમકાળમાં માણસનાં મન કેવાં હોય, કે ‘કાલથી ખાંડ નહીં મળે’ એવું કહ્યું કે બધા દોડધામ કરીને ખાંડ લઈ આવશે. એટલે મન વાંકાં ચાલે એવાં છે. એટલે અમે બધી છૂટ જ આપી છે. દુષમકાળમાં મનને બંધન કરીએ કે આમ કરો તો મન અવળું ચાલ્યા વગર રહે નહીં. આ દુષમકાળનો સ્વભાવ છે કે જો અટકાવીએ તો ઊલટું જોશ કરીને એમાં જ પડે. એટલે આ કાળમાં અમારા નિમિત્તે અક્રમ ઊભું થયું, તે કોઈ જાતનું અટકાવવાનું જ નહીં. એટલે પછી મન જુવાન થતું જ નથી, મન ઘૈડું થઈ જાય છે. ઘૈડું થાય એટલે નિર્બળ થાય, પછી ખલાસ થઈ જાય. જુવાન તો ક્યારે થાય, કે અટકાવીએ તો. તૃપ્ત થયેલો માણસ વિષયના ગંદવાડામાં (પા. ૧૭)હાથ ઘાલે જ નહીં. આ તો મહીં તૃપ્તિ નથી. તેથી આ ગંદવાડામાં ફસાઈ પડ્યા છે. વીતરાગોનું વિજ્ઞાન એ જ તૃપ્તિને લાવનાર છે. કેટલાંય અવતારથી ગણીએ તોય પુરુષો આટ આટલી સ્ત્રીઓને પૈણ્યા અને સ્ત્રીઓ પુરુષોને પૈણી તોય હજુ એને વિષયનો મોહ તૂટતો નથી. ત્યારે આનો ક્યારે પાર આવે તે ?! એનાં કરતાં થઈ જાવ એકલાં એટલે ભાંજગડ જ મટી ગઈને ?! ચાલી રહ્યાં ક્યાં ? દિશા કઈ ?આ એન્જીન હોય છે, તો કોઈ માણસ એન્જીનમાં તેલ રેડ્યા કરતો હોય તેને એન્જીન ચલાય ચલાય કરતો હોય, એવું વરસ દહાડા સુધી કર્યા કરતો હોય તો આજુબાજુના લોકો શું કહે એને ? ‘અલ્યા, એન્જીનને કંઈ પટ્ટો નાખીને કામ કરાવી લે ને !’ એવું આપણા લોકો જીવન જીવવા સારુ ખોરાક ખાય છે, પણ પછી પટ્ટો જ નથી આપતા ! એટલે આ મશીન પાસેથી બીજું કામ કરાવી લેવું કે ના કરાવી લેવું ? તમે શું કરાવી લેવાનું નક્કી કર્યું છે ? કંઈ સદ્ગતિ થાય, મોક્ષ થાય એટલા માટે પટ્ટો આપવાનો છે, જીવન જીવીને કામ કાઢી લેવાનું છે. આપણે લોકોને પૂછીએ તમે શા સારુ ખાવ છો ? તો કહેશે, જીવન જીવવા સારુ અને પૂછીએ કે જીવન શેના સારુ જીવો છો ? ત્યારે કહેશે, કે મને ખબર નથી ! અલ્યા, આ તે કઈ જાતનું ? શાને માટે જીવન જીવવાનું છે ? તેય ખબર નથી ને છોકરાનાં કારખાનાં કાઢ્યાં છે ! આ જીવન કંઈ છોકરાનાં કારખાનાં માટે હશે ? છોકરાનાં કારખાનાં એ તો સ્વાભાવિક છે, પણ એમાં શું દહાડો વળ્યો ? છોકરાં તો, પૈણ્યા એટલે થયા જ કરે ને ? કૂતરાંનેય છોકરાં થયા કરે છે. એ તો વગર ભણેલાં છે, તોય છોકરાં થાય છે. આ કૂતરાં કંઈ ભણેલાં છે ? તો એમને છોકરાં નહીં થતાં હોય ? એમણેય લગન કરેલું હોય. એમનેય વાઈફ હોય છે ને ? એટલે કંઈક સમજવું તો પડશે ને ? તું એન્જિનીયર પાસ થયો એટલે તારી પાસે શું થયું ? મેઈન્ટેનન્સની તારી પાસે સગવડ થઈ. તારે હવે એન્જિન ચાલુ રહેવાનું. પેટ્રોલ ને ઓઈલ માટે સગવડ બધી તૈયાર થઈ (પા. ૧૮)ગઈ. તારે હવે આ એન્જિન પાસે શું કામ કઢાવી લેવું છે ? આપણો કંઈક હેતુ તો હોવો જોઈએ ને ? આ નોકરી-ધંધા કરે છે, રૂપિયા કમાય છે, છતાં આ રૂપિયા તો આખો દહાડો ચિંતા જ કરાવડાવે અને ખરાબ વિચાર જ આવ આવ કરે. કોનું ભોગવી લઉં, કોનું લઈ લઉં, બધું અણહક્કનું ભોગવ્યા કરે ને પછી નર્કમાં જવું પડે. ત્યાં ભયંકર દુઃખો ભોગવવાં પડે. આ સુખો એ તો ઉછીના લીધેલાં સુખ કહેવાય અને ઉછીના સુખ લે, તે કેટલા દહાડા ચાલે ? નર્કગતિમાં વ્યાજ સાથે વાળવું પડે. એના કરતાં ઉછીનું સુખેય ના જોઈએ ને આપણે પેલું દુઃખેય ના જોઈએ. બીજું બધું ખાવ નિરાંતે. જલેબી ખાવ, ચા પીવો ! સમજો બ્રહ્મચર્યની કમાણીપ્રશ્નકર્તા : બ્રહ્મચર્યના ફાયદા શું થાય ? દાદાશ્રી : આ અબ્રહ્મચર્યના શું ફાયદા થયા તમને, એ કહો પહેલાં. બાબા-બેબલી થયાં. ઓછો ફાયદો કંઈ એ તો, નર્યો વ્યાપાર જ છે ને, નફો જ થયો ને ! હિન્દુસ્તાનમાં ઘણાં લોકો રડે છે. ‘કેમ શું છે ભઈ ? તમારે શી અડચણ આવી ?’ હું જૈન વાણિયો, મારી છોડી સુથારને ત્યાં ભાગીને જતી રહીને એને પૈણી. તે જો સ્વાદ આવ્યા ને ! કેવો મીઠો સ્વાદ આવ્યો ?! પછી ઘરના બધાને મનમાં એમ થાય કે આથી આ છોડી ના હોત તો સારું ! પ્રશ્નકર્તા : પણ બ્રહ્મચર્ય શું ફાયદા માટે પાળવું જોઈએ ? દાદાશ્રી : આપણે અહીં આગળ કંઈ વાગ્યું ને લોહી નીકળ્યું હોય, તો પછી બંધ કેમ કરીએ છીએ ? શું ફાયદો ? પ્રશ્નકર્તા : બહુ લોહી જતું ના રહે. દાદાશ્રી : લોહી જતું રહે તો શું થાય ? પ્રશ્નકર્તા : શરીરમાં બહુ વિકનેસ આવી જાય. દાદાશ્રી : તો આ બહુ અબ્રહ્મચર્યથી જ વિકનેસ આવી જાય. આ (પા. ૧૯)બધા રોગ જ અબ્રહ્મચર્યના છે. કારણ કે બધા ખોરાક જે ખાવ છો, પીવો છો, શ્વાસ લો છો, એ બધાનું પરિણામ થતું, થતું, થતું એનું... જેમ આ દૂધનું દહીં કરીએ, એ દહીં એ છેલ્લું પરિણામ નથી. દહીંનું વળી પાછું એ થતાં થતાં પાછું માખણ થાય, માખણનું ઘી થાય, ઘી એ છેલ્લું પરિણામ છે. એવું આમાં બ્રહ્મચર્ય એ પુદ્ગલસાર છે આખો ! આ લોહી નીકળી જાય તો વાંધો નહીં, પણ પુદ્ગલસાર નીકળી જાય તો મુશ્કેલી, બહુ નુકસાનકારક. અત્યાર સુધી પૂરણ કર્યું, એનો સાર શું ? ત્યારે કહે, એ સાચવો નહીં તો માણસપણું જતું રહેશે. સારમાં સાર છે એ. તત્ત્વનો તત્ત્વાર્ક છે, અર્ક ઓછો વપરાય તો સારું કે વધારે વપરાય તો ? પ્રશ્નકર્તા : ઓછો વપરાય તો સારું. કરકસર કરો વીર્ય ને લક્ષ્મીનીએટલે આ જગતમાં બે વસ્તુ ન વેડફવી જોઈએ. એક લક્ષ્મી અને બીજું વીર્ય. જગતની લક્ષ્મી ગટરોમાં જ જાય છે. એટલે લક્ષ્મી પોતાને માટે ના વપરાવી જોઈએ, વગરકામનો દુરુપયોગ ના થવો જોઈએ અને બ્રહ્મચર્ય બને ત્યાં સુધી પાળવું જોઈએ. જે ખોરાક ખાઈએ છીએ, તેનો અર્ક થઈને છેલ્લે એ અબ્રહ્મચર્યથી ખલાસ થઈ જાય છે. આ શરીરમાં અમુક નસો હોય છે, તે વીર્ય સાચવે છે અને તે વીર્ય આ શરીરને સાચવે છે. એટલે બને ત્યાં સુધી બ્રહ્મચર્ય સાચવવું જોઈએ. બ્રહ્મચર્યનો રિવાજ તો એકલા મનુષ્યની જ નાતમાં છે ને ! પરાણે ઉપદેશ આપીને બ્રહ્મચારી બનાવે છે. છતાં એ ફળ આપે એટલે આ ચાલવા દીધેલું. ખરેખર તો બ્રહ્મચર્ય એ સમજીને પાળવા જેવું છે. બ્રહ્મચર્યનું ફળ જો મોક્ષ ના મળતું હોય એ બ્રહ્મચર્ય બધું ખસી કર્યા જેવું જ છે. છતાં એનાથી શરીર સારું થાય, મજબૂત થાય, દેખાવડા થાય, વધારે જીવે ! બળદ પણ હૃષ્ટપુષ્ટ થઈને રહે છે ને ?! બળદને પણ શક્તિ બહુ રહે છે, તેથી તો એ ખેતર ખેડવાના કામમાં આવે છે ને ?! આપણે કોઈને વગોવતા નથી, પણ વાતને સારભૂત સમજી લેવાની છે ! ફોરેનના દેશની (પા. ૨૦)હજારની નોટ હોય તો અહીં ઇન્ડ્યિામાં એની એક્સચેન્જ કિંમત દોઢસો રૂપિયા જ થતી હોય. એટલે હજારની સામે કંઈ હજાર રૂપિયા ગણીને ન જ અપાય. એટલે એવું આપણે તપાસ કરીએ કે આ વસ્તુની એક્સચેન્જની કિંમત શું છે ? આ બ્રહ્મચર્ય કેવું ? અને ખરું બ્રહ્મચર્ય કેવું હોય ?! જે બ્રહ્મચર્યથી મોક્ષ થાય, એ બ્રહ્મચર્ય કામનું ! અક્રમ વિજ્ઞાન પમાડે મોક્ષછતાં આ વિજ્ઞાન ગમે તેને, પૈણેલાનેય મોક્ષે લઈ જશે. પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ. કો’ક મગજની ખુમારીવાળો હોય, તે કહેશે, ‘સાહેબ હું બીજી પૈણવા માગું છું.’ તારું જોર જોઈએ. પહેલાં શું નહોતા પૈણતા ? ભરત રાજાને તેરસો રાણીઓ હતી, તોય મોક્ષે ગયા ! જો રાણીઓ નડતી હોય તો મોક્ષે જાય ખરા ? તો શું નડે છે ? અજ્ઞાન નડે છે. આટલા બધા માણસો છે, તેમને કહ્યું હોત કે સ્ત્રીઓ છોડી દો. તો એ બધા સ્ત્રીઓ ક્યારે છોડત ? અને ક્યારે એમનો પાર આવત ? એટલે કહ્યું, સ્ત્રીઓ છો રહી અને બીજી પૈણવી હોય તો મને પૂછીને પૈણજે, નહીં તો પૂછયા વગર ના પૈણશો. જો છૂટ આપી છે ને બધી ? કર્મને આધીન સ્ત્રી-પુરુષ થયાં. એક ઝાડ ઉપર પંખીઓ બધાં નક્કી કરીને બેસે છે ? ના ! તેવી રીતે આ બધાં એક કુટુંબમાં જન્મે. કોઈ નક્કી કર્યા વગર જ કર્મનાં ઉદયે જ બધાં ઘરનાં લોક ભેગાં થાય ને પાછાં વિખરાઈ પણ જાય. આપણા લોકોએ એને એડજસ્ટમેન્ટ લઈને, વ્યવસ્થિત કરેલું. એટલે કે આ છોકરો છે, એટલે આની પર પુત્રભાવ આવતા હોય. બીજું, બહેનના ભાવ આવતા હોય, સ્ત્રીના ભાવ આવતા હોય. અત્યારે આપણામાં એ ભાવ વિકૃત થયેલા છે. બાકી પહેલા બહેનનો ભાવ આવે તો બીજો ભાવ જ ઉત્પન્ન ના થાય. બહેન કહે એટલે બહેન જ. મા એટલે મા. બીજો વિચાર ના આવે. પણ અત્યારે તો બધે બગડી જ ગયું છે. આટલું આવશ્યક, બ્રહ્મચર્યના કેન્ડીડેટનેઆ તો ‘જેમ છે તેમ’ નહીં દેખાવાથી મૂર્છા થાય છે. જ્યાં સુધી સ્ત્રીને ‘જેમ છે તેમ’ આરપાર ના જોઈ શકે, ત્યાં સુધી વિઝન ખુલ્લું ના (પા. ૨૧)થાય. જ્યારે મન વિષયમાં ખુલ્લું થશે ત્યારે વિઝન ખુલશે અથવા તો વરસ દહાડો બ્રહ્મચર્ય પાળે ને વિષયનો વિચાર પણ ના આવે, તો વિઝન ખુલ્લું થાય. ફર્સ્ટ વિઝને નેકેડ દેખાય, સેકન્ડ વિઝને ચામડી ઊતરેલી દેખાય ને છેલ્લે આરપાર દેખાય ત્યારે વિઝન ખીલે. બીજે દ્રષ્ટિ બગડે તો તો એ બહુ અધોગતિની નિશાની કહેવાય. લગ્ન થયેલું છે કે નથી થયેલું ? પ્રશ્નકર્તા : નથી થયું. દાદાશ્રી : તો લગ્ન કરી નાખો ને ? પ્રશ્નકર્તા : લગ્ન કરવાની ઇચ્છા જ નથી થતી મને. દાદાશ્રી : એમ ? તો લગ્ન કર્યા વગર ચાલશે ? પ્રશ્નકર્તા : હા, મારે તો બ્રહ્મચર્યની જ ભાવના છે. એને માટે કશી શક્તિ આપો, સમજણ પાડો. દાદાશ્રી : એના માટે ભાવના કરવી પડે. તારે રોજ બોલવું કે, ‘હે દાદા ભગવાન ! મને બ્રહ્મચર્ય પાળવાની શક્તિ આપો !’ અને પેલો વિષયનો વિચાર ઉત્પન્ન થતાં જ કાઢી નાખવો. નહીં તો એનું બીજ પડે. એ બીજ બે દહાડા થાય તો તો મારી જ નાખે પછી. ફરી ઊગે, એટલે વિચાર ઊગતાં જ ઉખાડીને ફેંકી દેવો અને કોઈ સ્ત્રી પ્રત્યે દ્રષ્ટિ ના માંડવી. દ્રષ્ટિ ખેંચાય તો ખસેડી લેવી ને દાદાને યાદ કરી માફી માંગવી. આ વિષય આરાધવા જેવો જ નથી એવો ભાવ નિરંતર રહે એટલે પછી ખેતર ચોખ્ખું થઈ જાય. અને અત્યારેય અમારી નિશ્રામાં રહે તો એનું બધું પૂરું થઈ જાય. પ્રશ્નકર્તા : હા, બરાબર. દાદાશ્રી : એના ભવેય બધા ઓગળી જાય, કેટલાંય ભવના ઊભાં થયેલાં લફરાંય ઓગળી જાય. હરૈયા વિચાર એ તો પાશવતા કહેવાય. જુએ ત્યાં વિચાર આવે, (પા. ૨૨)એ હરૈયા ઢોર જેવું કહેવાય. એના કરતાં આપણે એક ખીલે બાંધી દેવું સારું. સ્ત્રી એ પુરુષનું સંડાસ છે અને પુરુષ એ સ્ત્રીનું સંડાસ છે. તે સંડાસ જાઓ છો ત્યારે જાજરૂમાં બેસી રહેવાનું મન થાય છે ? તેવું આય સંડાસ જ છે. તેમાં શું મોહ રાખવાનો હોય ?! વિષય વિષયને ભોગવે છે, એ તો પરમાણુનો હિસાબ છે. જેને બ્રહ્મચર્ય જ પાળવું છે, એણે તો સંયમને બહુ રીતે ચકાસી જોવો, તાવી જોવો, ને જો લપસી પડાય તેવું લાગે તો પૈણવું સારું. છતાં પણ તે કંટ્રોલપૂર્વકનું હોવું જોઈએ. પૈણનારીને કહી દેવું પડે કે મારે આવું કંટ્રોલપૂર્વકનું છે. જ્ઞાન કોને વધુ રહે, બેમાંથી ?પ્રશ્નકર્તા : પૈણેલાં હોય, એ લોકોને જ્ઞાન મોડું આવે ને ? અને બ્રહ્મચર્ય પાળે છે, એ લોકોને જ્ઞાન વહેલું આવે ને ? દાદાશ્રી : ના. એવું કશું નથી. પૈણેલાં હોય અને જો બ્રહ્મચર્યવ્રત લે તો આત્માનું કેવું સુખ છે, એ એને પૂરેપૂરું સમજાય. નહીં તો ત્યાં સુધી સુખ વિષયમાંથી આવે છે કે આત્મામાંથી આવે છે એ સમજાતું નથી અને બ્રહ્મચર્યવ્રત હોય તો, એને આત્માનું સુખ મહીં પાર વગરનું વર્તે. મન સારું રહે, શરીર બધું સારું રહે !! પ્રશ્નકર્તા : અને બ્રહ્મચર્યવ્રત પરણ્યા પહેલાં જેણે લીધું હોય, એને કઈ રીતનો અનુભવ થાય ? દાદાશ્રી : આને પૂછી જો ને ! બહુ સુખ વર્તે અને તેથી જ બધો બહુ ફેરફાર થઈ ગયો. પ્રશ્નકર્તા : તો બંનેને જ્ઞાનની અવસ્થા સરખી હોય કે એમાં ફેર હોય ? પૈણેલાની અને બ્રહ્મચર્યવાળાની ? દાદાશ્રી : એવું છે ને, બ્રહ્મચર્યવ્રતવાળો કોઈ દહાડોય પડે નહીં. એને ગમે તેવી મુશ્કેલી આવે તોય પડે નહીં. પછી એને સેફસાઈડ કહેવાય. (પા. ૨૩)શરીરનો રાજા કોણ ?બ્રહ્મચર્ય તો શરીરનો રાજા છે. જેને બ્રહ્મચર્ય હોય તેનું મગજ તો કેવું સુંદર હોય. બ્રહ્મચર્ય એ તો આખો પુદ્ગલનો સાર છે. પ્રશ્નકર્તા : આ સાર અસાર નથી થતો ને ? દાદાશ્રી : ના, પણ એ સાર ઊડી જાય, ‘યુઝલેસ’ થઈ જાય ને !! એ સાર હોય, એની વાત તો જુદી ને ? મહાવીર ભગવાનને બેતાળીસ વર્ષ સુધી બ્રહ્મચર્યસાર હતો. આપણે જે ખોરાક લઈએ છીએ, એ બધાનો સારનો સાર એ વીર્ય છે, એ એક્સ્ટ્રેકટ છે. હવે એકસ્ટ્રેકટ જો બરોબર સચવાઈ રહે તો આત્મા જલદી પ્રાપ્ત થાય, સાંસારિક દુઃખો ના આવે, શારીરિક દુઃખો ના આવે, બીજાં કોઈ દુઃખો આવે નહીં. પ્રશ્નકર્તા : પણ એ શારીરિક છે કે એને આત્માની સાથે પણ સંબંધ છે ? દાદાશ્રી : ના, આત્માની સાથે કોઈ સંબંધ નથી, એ શારીરિક છે. પણ આ શરીર સારું હોય તો આત્મા છૂટે ને વહેલો ? આ શરીર નબળું હોય, એટલે ક્રોધ-માન-માયા-લોભ ઊભાં થઈ જાય. એમાંથી બંધન થાય. પ્રશ્નકર્તા : એટલે જો શારીરિક સંપત્તિ સારી હોય, તો ક્રોધ-માન- માયા-લોભ જરા ઓછાં ઉત્પન્ન થાય એમ ? દાદાશ્રી : હા, પણ શારીરિક સંપત્તિ બે પ્રકારની. એક તો, પુણ્યૈને લઈને શારીરિક સંપત્તિ હોય અને બીજું, પેલું એકસ્ટ્રેકટને લઈને. અને એવી એકસ્ટ્રેક્ટને લઈને જો શારીરિક સંપત્તિ હોય તો, એની તો વાત જ જુદી ને ?! પ્રશ્નકર્તા : એ એકસ્ટ્રેકટના હિસાબે શારીરિક સંપત્તિ સારી રહે? દાદાશ્રી : હા, સરસ રહે. કશી અડચણ જ ના આવે. કોઈ જાતની ડિફેક્ટ જ ના આવે. ક્રોધ-માન-માયા-લોભેય ઉત્પન્ન ના થાય. પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય એ આત્મસુખ માટે કેવી રીતે હેલ્પ કરે છે ? (પા. ૨૪)દાદાશ્રી : બહુ હેલ્પ કરે. બ્રહ્મચર્ય ન હોય તો દેહબળ ઘટ્યું કે મનોબળ ખલાસ થઈ જાય બધું અને બુદ્ધિ બળેય ખલાસ થઈ જાય, અહંકાર હઉ ઢીલો થઈ જાય. મોટો ડી.એસ.પી. હોય, કોઈ ઘૈડો થયેલો હોય તો, ઢીલો થઈ જાય કે નહીં ? એટલે એ એનું તેજ કહેવાય છે, બ્રહ્મચર્ય ! પ્રશ્નકર્તા : એટલે આ મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકાર, એ બધા બ્રહ્મચર્યથી વધારે સુદ્રઢ થાય છે ? દાદાશ્રી : એમાંથી જ ઊભાં થયા છે. અબ્રહ્મચર્યથી એ બધાં મરી જાય છે. પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય એ તો અનાત્મ ભાગમાં આવે ને ! દાદાશ્રી : હા, પણ એ પુદ્ગલસાર છે ! પ્રશ્નકર્તા : તો પુદ્ગલસાર છે, એ સમયસારને હેલ્પ કઈ રીતે કરે છે ? દાદાશ્રી : એ પુદ્ગલસાર હોય તો જ સમયસાર થાય, આ, મેં છે તો આ જ્ઞાન આપ્યું, ને એ તો અક્રમ છે એટલે ચાલ્યું. બીજી જગ્યાએ તો ચાલે નહીં, પેલા ક્રમિકમાં તો પુદ્ગલસાર જોઈએ જ, નહીં તો યાદેય ના રહે કશુંય. વાણી બોલતાં ફાંફાં પડે. પ્રશ્નકર્તા : એટલે આ બેને કંઈ એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ખરો ? દાદાશ્રી : ખરો ને ! કેમ નહીં ? મુખ્ય વસ્તુ છે એ તો ! બ્રહ્મચર્ય હોય તો પછી તમારું ધાર્યું હોય એ કામ થાય. ધાર્યા વ્રત-નિયમ બધાં પાળી શકાય. આગળ જઈ શકાય ને પ્રગતિ થાય. પુદ્ગલસાર તો બહુ મોટી વસ્તુ છે. એક બાજુ પુદ્ગલસાર હોય તો જ સમયનો સાર કાઢે ! કોઈએ લોકોને આવી સાચી સમજ જ નથી પાડીને ! કારણ લોકો પોતે જ પોલ સ્વભાવના છે. પહેલાનાં ઋષિમુનિઓ ચોખ્ખા હતા. માટે (પા. ૨૫)તેઓ સમજ પાડતા હતા. પ્રશ્નકર્તા : અમે એવી ઉંમરના વિદ્યાર્થીઓને શીખવાડીએ છીએ કે જે ઉંમરના હિસાબે એને કહેવું જોઈએ કે તું વીર્યબળ સચવાય એવું કર, તો એ નવ્વાણું ટકા છોકરાઓ નહીં માને. દાદાશ્રી : અને હું આ છોકરાઓને કહું છું કે, ‘અલ્યા, તમે પૈણો.’ ત્યારે એ કહે છે કે, ‘ના. અમારે બ્રહ્મચર્ય પાળવું છે.’ અને તમે કહો છો કે, ‘બ્રહ્મચર્ય પાળો.’ ત્યારે એ કહે છે કે, ‘ના. અમારે પૈણવું છે.’ એટલે પહેલું ઉપદેશ આપનારે વીર્યબળ પાળવું જોઈએ. બોલનારો બળવાળો હોવો જોઈએ. તમારા બોલની કિંમત ક્યારે ? કે તમે બળવાન હો, તો સામો એક્સેપ્ટ કરે. નહીં તો સામો આગળ ચાલે જ નહીં ને ! અત્યારે આના જેવા કેટલાંય છોકરાઓ મારી પાસે છે. તેમને કાયમનું બ્રહ્મચર્ય પાળવું છે મન-વચન-કાયાથી. (પા. ૨૬)[2] વિકારોથી વિમુક્તિની વાટવિકારો હઠાવવાં છે ?પ્રશ્નકર્તા : ‘અક્રમ માર્ગ’માં વિકારો હઠાવવાનું સાધન કયું ? દાદાશ્રી : અહીં વિકાર હઠાવવાના નથી. આ માર્ગ જુદો છે. કેટલાંક માણસો અહીં મન-વચન-કાયાનું બ્રહ્મચર્ય લે છે અને કેટલાંક સ્ત્રીવાળા હોય, તેને અમે રસ્તો બતાડ્યો હોય તે રીતે એનો ઉકેલ લાવે. એટલે ‘અહીં’ વિકારી પદ જ નથી, પદ જ ‘અહીં’ નિર્વિકારી છે ને ! વિષયો એ વિષ છે, તે તદ્દન વિષ નથી. વિષયમાં નીડરતા એ વિષ છે. વિષય તો ના છૂટકે, પોલીસવાળો જેમ પકડીને કરાવે ને કરે તેમ હોય, તો, તેનો વાંધો નથી. પોતાની સ્વતંત્ર મરજીથી ના હોવું જોઈએ. પોલીસવાળો પકડીને જેલમાં બેસાડે ત્યાં તમારે બેસવું જ પડે ને ? ત્યાં કંઈ છૂટકો છે ? એટલે કર્મ એને પકડે ને કર્મ એને અથાડે, એમાં ના કહેવાય નહીં ને ! બાકી જ્યાં વિષયની વાત જ હોય, ત્યાં ધર્મ નથી. ધર્મ નિર્વિકારમાં હોય. ગમે તેવો ઓછા અંશે ધર્મ હશે, પણ ધર્મ નિર્વિકારી હોવો જોઈએ. વિકારથી જ સંસાર ઊભો થયો છે. આ બધો સંસાર એટલે વિષયોનો વિકાર, આ પાંચ ઇન્દ્રિયોના વિષયોના વિકારો છે અને મોક્ષ એટલે નિર્વિકાર, આત્મા નિર્વિકાર છે. ત્યાં રાગેય નથી ને દ્વેષેય નથી. પ્રશ્નકર્તા : વાત બરાબર છે, પણ એ જે વિકારી કિનારાથી નિર્વિકારી કિનારામાં પહોંચવા માટે કંઈક તો નાવડું હોવું જોઈએ ને ? દાદાશ્રી : હા, એના માટે જ્ઞાન હોય છે. એના માટે ગુરુ એવા (પા. ૨૭)મળવા જોઈએ. ગુરુ વિકારી ના હોવાં જોઈએ. ગુરુ વિકારી હોય તો આખું ટોળું નર્કે જાય. ફરી મનુષ્યગતિ યે ના દેખે. ગુરુમાં વિકાર ના શોભે. કોઈ ધર્મે વિકારનો સ્વીકાર કર્યો નથી. વિકારનો સ્વીકાર કરે એ વામમાર્ગી કહેવાય. પહેલાના કાળમાં વામમાર્ગી હતા, વિકાર સાથે બ્રહ્મ ખોળવા નીકળેલા. પ્રશ્નકર્તા : એ પણ એક વિકૃત સ્વરૂપ જ થયેલું કહેવાય ને ? દાદાશ્રી : હા, વિકૃત જ ને ! તેથી વામમાર્ગી કહ્યું ને ! વામમાર્ગી એટલે મોક્ષે જાય નહીં ને લોકોનેય મોક્ષે જવા દે નહીં. પોતે અધોગતિમાં જાય ને લોકોનેય અધોગતિમાં લઈ જાય. પ્રશ્નકર્તા : દરેક કાળમાં આવા વામમાર્ગ હશે તો ખરાં જ ને ? દાદાશ્રી : હા, દરેક કાળમાં વામમાર્ગ તો હોય છે જ. વધતા-ઓછા પ્રમાણમાં વામમાર્ગ તો હોય. પહેલાં બહુ ઓછા પ્રમાણમાં હતા. અત્યારે કળિયુગમાં જબરજસ્ત પ્રમાણમાં હોય. સહેજ વિકારી સંબંધવાળો હોયને ત્યાં સુધી દુનિયામાં કોઈને સુધારી શકે નહીં. વિકારી સ્વભાવ જ આત્મઘાતી સ્વભાવ. અત્યાર સુધી કોઈએ શીખવાડ્યુ નહીં કશું ? બ્રહ્મચર્ય, પ્રોજેક્ટનું પરિણામપ્રશ્નકર્તા : કુદરતને જો સ્ત્રી-પુરુષની જરૂરિયાત ન હોય, તો એ શા માટે આપ્યું ? દાદાશ્રી : સ્ત્રી-પુરુષ એ કુદરતી છે અને બ્રહ્મચર્યનો હિસાબ એ પણ કુદરતી છે. માણસ જેવી રીતે જીવવા માગે, તે જેવી ભાવના પોતે કરે છે, એ ભાવનાના ફળરૂપે આ જગત છે. બ્રહ્મચર્યની ભાવના ગયા અવતારમાં ભાવી હોય તો અત્યારે બ્રહ્મચર્યનો ઉદય આવે. આ જગત પ્રોજેક્ટ છે. પ્રશ્નકર્તા : પણ હજુ મને એ વાત સમજાતી નથી કે માણસે શા માટે બ્રહ્મચર્ય પાળવું ? (પા. ૨૮)દાદાશ્રી : એ લેટ ગો કરો આપણે. બ્રહ્મચર્ય નહીં પાળવાનું. હું કંઈ એવા મતનો નથી. હું તો લોકોને કહું છું કે પૈણી જાવ. કોઈ પૈણે એમાં મને વાંધો નથી. એવું છે, જેને સાંસારિક સુખોની જરૂર છે, ભૌતિક સુખોની જેને ઈચ્છા છે, તેણે પૈણવું જોઈએ. બધું જ કરવું જોઈએ અને જેને ભૌતિક સુખો ના જ ગમતાં હોય અને સનાતન સુખ જોઈતું હોય, તેણે નહીં. પ્રશ્નકર્તા : ‘બ્રહ્મચર્ય ના જ પાળવું’ એવી મારે ચેલેન્જ નથી, પણ એ વાતની સમજ નથી. દાદાશ્રી : બરોબર છે. વાત સાચી છે. તમારી ચેલેન્જ નથી, એ વાત ખરી છે ! અને ચેલેન્જ અપાય એવુંય નથી. કારણ કે આ દુનિયામાં કઈ જાતના ભાવ કર્યા હોય, એણે શું પ્રોજેક્ટ કર્યો હોય, એ શું આપણે કહી શકીએ ?! કોઈએ આખી જિન્દગી ભક્તિનો જ પ્રોજેક્ટ કર્યો, તો આખી જિન્દગી ભક્તિ જ કર્યા કરે. કોઈએ દાન જ આપવાનો પ્રોજેક્ટ કર્યો હોય તો દાન આપે. કોઈએ ઓબ્લાઈઝિંગ નેચરનો કર્યો હોય તો ઓબ્લાઈઝ કર્યા કરે. કોઈ છે તે વિકારી નેચરનો હોય, એ પોતાની સ્ત્રીનું સુખ ભોગવતો હોય. પણ બીજી કેટલીક છોકરીઓનો ખોટો લાભ ઊઠાવે. એ બધું ગમે તેવાં માણસો હોય, જેવો પ્રોજેક્ટ કર્યો હોય, તેવું આ ફળ મળ્યું છે. એનાં ફળ મળે છે કડવાં. તે નર્કગતિમાં ભોગવવા જવું પડે. એના હેતુ પર આધારવિષય વિકાર હોય તો ગમે તેટલો યોગ ફળે નહીં. પ્રશ્નકર્તા : વિષય જે હોય છે, વિકાર અંદર ભરેલો હોય છે, તે નાનો જીવ હોય ત્યાંથી મોટાં સુધીમાં, દરેકનો વિષય પુત્રદાન માટે જ હોય છે ને ? દાદાશ્રી : પુત્ર કે પુત્રી ગમે તે હોય, પણ તે સંસાર વધારવા માટે જ. વેલો વધે એ માટે જ છે ને ! (પા. ૨૯)પ્રશ્નકર્તા : વિષય કરે છે તે ઇચ્છાથી નહીં, ખાલી સંતાન પ્રાપ્તિ માટે જ વિષય હોવો જોઈએ, એ સારું કહેવાય ? દાદાશ્રી : એવું છે ને, પુત્રના હેતુ માટે અબ્રહ્મચર્ય કરે છે તેને, ને બ્રહ્મચર્યને કંઈ લાગતું-વળગતું નથી. બ્રહ્મચર્ય તો બહુ ઊંચી વસ્તુ છે. અબ્રહ્મચર્ય તો પ્રજાની ઉત્પત્તિ માટે વાપરવાની કંઈ જરૂર નથી. પ્રજાની ઉત્પત્તિ માટે તો આ જાનવરો બધા કર્યા જ કરે છે ને ! એમાં નવું શું છે તે ? એના કરતાં મોજશોખ માટે વાપરે તે સારું. મોજશોખ માટે થઈ રહ્યું છે અને પેલું તો એમ લાગે કે મને આ ફળ મળ્યું છે. આ તો છેલ્લામાં છેલ્લી કક્ષાની વાત છે. જેવું મારી દ્રષ્ટિમાં છે, તે તમને કહું છું. પછી તમને જે ઠીક લાગે તેમ અનુકૂળ લેજો. પ્રશ્નકર્તા : એમાં દોષ ખરો કે ? દાદાશ્રી : દોષ તો ખરો જ ને ! એ પ્રજા ઉત્પત્તિ માટે ના હોવું જોઈએ. એના કરતાં તમે શોખને માટે કરતા હોય તો છેવટે એનો ધક્કો વાગે એટલે પાછો ફરે અને આમાં તો પાછો જ ના ફરે ને, પ્રજાની ઉત્પત્તિમાં નવ છોકરાં થાય તોય !!! પ્રશ્નકર્તા : આજના વિકારમય વાતાવરણમાં, ઘરમાં રહીને પણ આત્માનો, ભગવાનનો અનુભવ કેવી રીતે થાય ? દાદાશ્રી : ઘરમાં રહીને એટલે ઘર વાંધો કાઢે છે ? પ્રશ્નકર્તા : વાતાવરણ વિકારી છે. દાદાશ્રી : હા, પણ કઈ જગ્યા વિકારી નથી ? જ્યાં મન હોય, તે જગ્યાએ વિકારી વાતાવરણ હોય જ. તમે જ્યાં જશો ત્યાં મન તો જોડે હશે જ ને ? ગુફાઓમાં જવું, એના કરતાં ઘર સારું. ત્યાં ગુફાઓમાં નવી જાતના વિકાર ઊભા થાય, એના કરતાં આ જૂના વિકારો સારા, જૂના તો ઘૈડા થઈ ગયેલા હોય. તે વિકાર મરશે કો’ક દા’ડો. જ્યારે આ નવા વિકાર નહીં મરે. પ્રશ્નકર્તા : ઘરમાં રહીને મનના વિકારો છૂટી શકે ? (પા. ૩૦)દાદાશ્રી : હા, બધું છૂટી જ જાય છે ને ! ઘરમાં રહીને તો શું, ગમે ત્યાં રહીને છૂટી જાય, જો ‘જ્ઞાની પુરુષ’ મળે તો. ‘જ્ઞાની પુરુષ’ મળે અને જો કદી વિકાર ના છૂટી જાય, તો એ જ્ઞાની જ ન હોય. આપણે જ્ઞાનીને કહેવું, કે આપ કેવા મળ્યા અમને, તે અમને આ વિકાર ઉત્પન્ન થયા ? પણ આપણા લોકો વિનયી એટલે એવું નથી બોલતાં બિચારા. અફળાય, અફળાય કરે છે તોય નથી બોલતાં. ન જાણ્યું જગતે સ્વરૂપ વાસનાનુંપ્રશ્નકર્તા : કામવાસનાનું સુખ ક્ષણિક જાણવા છતાં ક્યારેક તેની પ્રબળ ઇચ્છા થવાનું કારણ શું ? અને તે કઈ રીતે અંકુશમાં લઈ શકાય ? દાદાશ્રી : કામવાસનાનું સ્વરૂપ જગતે જાણ્યું જ નથી. કામવાસના શાથી ઉત્પન્ન થાય છે, એ જો જાણે તો એ કાબૂમાં લઈ શકાય. પણ વસ્તુસ્થિતિમાં એ ક્યાંથી ઉત્પન્ન થાય છે, એ જાણતો જ નથી. પછી શી રીતે કાબૂમાં લઈ શકે ? કોઈ કાબૂમાં લઈ ના શકે. જેણે કાબૂમાં લીધેલું છે, એવું દેખાય છે, એ તો પૂર્વેની ભાવનાનું ફળ છે, બાકી કામવાસનાનું સ્વરૂપ ક્યાંથી ઉત્પન્ન થયું, એ ઉત્પન્ન દશા જાણે, ત્યાં જ તાળું મારવામાં આવે તો જ એ કાબૂમાં લઈ શકે. બાકી પછી એ તાળાં મારે કે ગમે તે કરે તોય કશું ચાલે નહીં. કામવાસના ના કરવી હોય તો અમે રસ્તો દેખાડીએ. અજ્ઞાનના વાંકે ઇન્દ્રિયોને ડામપ્રશ્નકર્તા : આ ઇન્દ્રિયો છે, તે ભોગવ્યા સિવાય શાંત પડતી નથી. તો એ સિવાય બીજો ઉપાય ખરો ? દાદાશ્રી : એવું કશું નથી. ઇન્દ્રિયો તો બિચારી ભોગ ઠેઠ સુધી ભોગવ્યા જ કરે છે. એનામાં જ્યાં સુધી સત્ત્વ હોય ત્યાં સુધી, જીભમાં બરકત હોય ને એટલે એની ઉપર આપણે કોઈ વસ્તુ મૂકીએ કે તરત એનાં સ્વાદ આપણને કહી આપે, અને ઉંમર ઘૈડી થયેલી હોય ને જીભમાં બરકત (પા. ૩૧)ના હોય તો ના કહી આપે. આંખમાં બરકત હોય તો બધી ગમે તે વસ્તુ હોય તો કહી આપે. બરકત જરા ઓછી થયેલી હોય, ઘૈડપણને લઈને તો ના કહી આપે. એટલે ઇન્દ્રિયો તો બિચારી, એમ ને એમ મોળી થઈ જાય છે, ઉંમર થાય એટલે. પણ એ વિષય મોળા ના થાય. આ ઇન્દ્રિયો વિષયી નથી. વિષય આ ઇન્દ્રિયોનો દોષ નથી. ઇન્દ્રિયોને વગર કામનાં ડામ દે છે આ લોકો. ઇન્દ્રિયોને, શરીરને બધા ડામ દે છે ને ? એ પાડાનાં વાંકે પખાલીને ડામ દે છે. વાંક પાડાનો છે અને દે છે પખાલીને ડામ. ભૂખે મારે છે, વગર કામનું મૂઆ. એનું શું કામ નામ દે છે તું ? પાંસરો મરને. તારું વાંકું છે મહીં, દાનત ચોર છે અને તેય જ્ઞાની મળ્યા નથી, જ્ઞાની મળે તો સવળે રસ્તે ચડાવી દેવાય, વાર ના લાગે. પ્રશ્નકર્તા : વિષયોમાંથી વાળવા માટે જ્ઞાન મહત્ત્વની વસ્તુ છે. દાદાશ્રી : બધા વિષયો છૂટી જવા માટે જ્ઞાન જ છે જરૂરી. અજ્ઞાનથી જ વિષયો વળગ્યા છે. તે ગમે એટલાં તાળાં વાસે તોય કંઈ વિષય બંધ ન થાય. ઇન્દ્રિયોને તાળાં મારનારા મેં જોયા, પણ એમ કંઈ વિષય બંધ થાય નહીં. જ્ઞાનથી બધું જતું રહે. આપણે આ બધા બ્રહ્મચારીઓને વિચાર સરખો નહીં આવતો જ્ઞાનથી. વિષયનો શોખ, વધારે વિષયપ્રશ્નકર્તા : આપણા બધા શોખ હોય, એ પૂરા કરવાથી આપણને ટેમ્પરરી આનંદ મળે ખરો ? દાદાશ્રી : પણ હમણે આઈસ્ક્રીમ હોય તો સારું ના લાગે પેટમાં ? પણ પછી શું, ખઈ રહ્યા પછી ? પછી લાવ, જરા સોપારી ! કેમ પાછું આ આઈસ્ક્રીમ હોય તોય હજુ સોપારીની જરૂર ! ત્યારે કહે, ના, એ તો મોઢું ચોખ્ખું કરવું પડે ને ! અને સોપારી ખાધા પછી શું ? હતો તેનો તે મૂઆ ! (પા. ૩૨)પ્રશ્નકર્તા : સાયકોલોજી એવું કહે છે કે તમે એક વખત ધરાઈને ખાઈ લો આઈસ્ક્રીમ. પછી તમને ખાવાનું મન જ ના થાય. દાદાશ્રી : એવું દુનિયામાં બની શકે નહીં. ના, એ ધરાઈને ખાધાથી તો ખાવાનું મન થાય જ. પણ જે તમને ના ખાવો હોય ને ખવડાય, ખવડાય કરે, રેડ રેડ કરે. તે પછી ઊલટીઓ થાયને ત્યારે બંધ થઈ જાય. ધરાઈને ખાય તો ફરી જાગે એ તો. આ વિષય તો હંમેશાં જેમ જેમ વિષય ભોગવતો જાય એમ વધારે વધારે સળગતું જાય. વિષય તો વધારે સળગતા જાય. જે સુખ ભોગવે છે એની તરસ વધતી જાય છે. ભોગવવાથી તરસ વધતી જાય. ના ભોગવે તો તરસ મટી જાય. એનું નામ તૃષ્ણા. ના ભોગવવાથી થોડાં દહાડાં હેરાન થઈએ વખતે મહિનો, બે મહિના. પણ અપરિચયથી બિલકુલ ભૂલી જ જવાય પછી. અને ભોગવનારો માણસ એ વાસના કાઢી શકે એ વાતમાં માલ નથી. એથી આપણાં લોકોની, શાસ્ત્રોની શોધખોળ છે કે આ બ્રહ્મચર્યનો રસ્તો જ ઉત્તમ છે. એટલે મોટામાં મોટો ઉપાય, અપરિચય ! એટલે વિચાર આવે, એનું તોલન થાય, એના પરિણામ ખબર પડે. પરિચયમાં તો ખબર જ ના પડે ને, કે શું દોષ છે તે જ ! અને અપરિચયને લઈને વિષય છૂટે. હિન્દુસ્તાનમાં લોકો શેને બ્રહ્મચર્ય કહેવાય એ જ સમજતા નથી. વિષય એ અપરિચયથી બધું ખલાસ થઈ જાય છે. અને એક ફેરો એ વસ્તુથી છેટે રહ્યા ને, બાર મહિના કે બે વરસ સુધી છેટે રહ્યું એટલે એ વસ્તુને જ ભૂલી જાય છે પછી મનનો સ્વભાવ કેવો છે ? છેટું રહ્યું કે ભૂલી જાય. નજીક ગયું એટલે પછી કોચ કોચ કરે ! પરિચય મનનો છૂટો થયો. ‘આપણે’ છૂટા રહ્યા એટલે મનેય પેલી વસ્તુથી છેટું રહ્યું, એટલે ભૂલી જાય પછી, કાયમને માટે. એને યાદેય ના આવે. પછી કહે તોય એ બાજુ જાય નહીં. એવું તમને સમજણ પડે ?! તું તારા ભાઈબંધથી બે વરસ છેટો રહ્યો, તો તારું મન ભૂલી જાય પછી. મહિનો-બે મહિના સુધી કચ કચ કર્યા કરે એવો મનનો સ્વભાવ છે અને આપણું જ્ઞાન તો મનને ગાંઠે જ નહીં ને ! (પા. ૩૩)ન આંતરાય મનનેપ્રશ્નકર્તા : મનને જ્યારે વિષય તરફ ભોગવવા માટે આપણે છૂટ આપીએ છીએ, ત્યારે એ છે તો નીરસ રહે છે અને જ્યારે આપણે એને વિષયો ભોગવવા માટે કંટ્રોલ કરીએ છીએ, ત્યારે એ વધારે ઉછળે છે. આકર્ષણ રહે છે, તો એનું શું કારણ ? દાદાશ્રી : એવું છે ને, મનને કંટ્રોલ આનું નામ કહેવાય નહીં. જે આપણો કંટ્રોલ સ્વીકારે નહીં એ કંટ્રોલ જ ન્હોય. કંટ્રોલર હોવો જોઈએ ને ? પોતે કંટ્રોલર હોય તો કંટ્રોલ સ્વીકારે. પોતે કંટ્રોલર છે નહીં, મન નથી માનતું, મન તમને ગાંઠતું નથી ને ? મનને આંતરવાનું નથી. મનના કૉઝીઝને આંતરવાના છે. મન તો પોતે, એક પરિણામ છે. એ પરિણામ બતાવ્યા વગર રહેશે નહીં. પરીક્ષાનું એ રિઝલ્ટ છે. પરિણામ બદલાય નહીં, પરીક્ષા બદલવાની છે. એ પરિણામ જેનાથી ઊભું થાય છે એ કારણોને બંધ કરવાના છે. ત્યારે તે શી રીતે પકડાય ? શાનાથી ઊભું થયું છે મન ? ત્યારે કહે, વિષયમાં ચોટેલું છે. ‘ક્યાં ચોટેલું છે’ એ ખોળી કાઢવું જોઈએ અને પછી ત્યાં કાપવાનું છે. પ્રશ્નકર્તા : એ વિષયોમાંથી બંધ કેવી રીતે કરવું મનને ? દાદાશ્રી : વિષયોમાંથી બંધ નહીં કરવાનું. જે વિષયો મન ઊભા કરે છે અને એ મન છે તે પછી પકડ પકડે છે. એ વિષયોને આપણે જ્યાં ત્યાં એ ધીમે ધીમે કમી કરવા જોઈએ. એટલે એના કૉઝીઝ બંધ કરવા જોઈએ. આપણે પાડોશીને કહીએ કે ભઈ, તમારે અમારી જોડે ઝઘડો કરવો નહીં. અમારી જોડે આ તકરાર કરવી નહીં, તોય તકરાર થયા કરતી હોય તો આપણે ના સમજીએ કંઈ ભૂલ બીજી જ છે. સમજીએ કે ના સમજીએ ? ત્યારે કહે, શી ભૂલ ? ત્યારે કહે, આ ઝઘડો ના થાય એવા કારણો ઊભા કરો પછી. એટલે પેલો ઝઘડો તો થઈ જ જશે થોડા દહાડા, પણ ઝઘડો ન થવાના કારણોનું જ્યારે સેવન થાય ત્યારે પછી તેવા (પા. ૩૪)પરિણામ આવશે. ઝઘડાનાં કારણો સેવ્યા કરીએ અને ઝઘડો બંધ કરીએ. એ બને ખરું ? પ્રશ્નકર્તા : ના બને. દાદાશ્રી : એટલે એના કારણો બંધ કરવા પડે. મેં કહ્યું છે ને, મન-વચન-કાયા એ ઈફેક્ટીવ વસ્તુ છે. એના કૉઝીઝ બંધ કરો ! પ્રશ્નકર્તા : કારણ બંધ કરવા એટલે ? આવું ના થાય એવા ભાવ કરવા એવું જ ને ? દાદાશ્રી : આપણે કારણ બંધ કરવું, એટલે ગઈકાલે પોલીસવાળા એ આપણું નામ લખી લીધું હોય. સાયકલ ઉપર જતા હોય ને લાઈટ ન હોય તો નામ લખી લીધું હોય તો બીજે દહાડે આપણે કૉઝીઝ બંધ કરીએ કે ના બંધ કરીએ ? કે ભઈ આજ તો લાઈટ ઘાલો. તો પછી લખી લે ? એ કારણ બંધ થઈ જાય ને ? એવી જ રીતે આ કૉઝીઝ બંધ કરવાના છે. બધું આવડે એવું છે, ફક્ત ‘ચા’ની જ ટેવ પડી છે. એટલું જ છે ભાંજગડ. લાવો, જરા ‘ચા’ પીએ. મહીં અકળાશે, તે ઘડીએ ચા પીવાની જરૂર નથી. વિચારવાની જરૂર છે, ત્યારે ચા પી નાખે છે ત્યાં. જ્યાં વિચારવાનો સ્કોપ મળે અને મગજ ગૂંચાય, ત્યારે કહે, ‘ચા પીવી જોઈએ.’ અલ્યા મૂઆ, અત્યારે વિચારવાની જરૂર છે. ચા હમણે રહેવા દે, સવારે પીજે. કૉઝીઝ બંધ કરીએ તો થાય કે ના થાય ? પ્રશ્નકર્તા : સમજાયું. દાદાશ્રી : એક ફેરો કો’કની જોડે અવિનય કરીએ આપણે, ખસ અહીંથી આઘો. તો એ ગાળ દઈ દે, તો આપણે બીજી વખત એવું ના કરીએ ને ? પ્રશ્નકર્તા : ના કરીએ. દાદાશ્રી : પેલું એ તો બંધ નહીં થાય. આ તમે આ રસ્તો બદલો. (પા. ૩૫)એનું નામ જ્ઞાન. પેલું બંધ કરવા પ્રયત્ન કરે તેનું નામ જ ભ્રાંતિ. ભ્રાંતિ હંમેશા ઈફેક્ટને જ તોડવા ફરે છે. જ્યારે જ્ઞાન કૉઝીઝને બંધ કરવા ફરે છે. વાસના, વસ્તુ નહીં, પણ રસપ્રશ્નકર્તા : મનુષ્યોની વાસનાઓનો મોક્ષ ક્યારે થાય ? દાદાશ્રી : વાસનાઓનો તો થઈ જ જાય. વાસનાઓ તો તમે ઊભી કરેલી છે, તમે જ એના જન્મદાતા છો અને વિલય કરનારાય તમે છો. તમારી વાસના જુદી ને ભઈની વાસના જુદી. દરેકની જુદી જુદી વાસનાઓને ? અને વાસના તો સાયન્ટિફીક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. હમણે એક મુસલમાન ભઈબંધ થયો હોય ને, તો પછી પેલું માંસાહાર ખાતા હઉ શીખી જાય. હવે એ વાસના કંઈથી લાવ્યા’તા ? ત્યારે કહે, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થાય અને તે નવું નથી, આ ગપ્પું નથી. પાછું પહેલાના કૉઝીઝ હિસાબે છે આ બધાં. તે ખાતાં શીખી જાય. બીજું, સંજોગોને લીધે વાસનાઓ ઊભી થાય છે. બાકી એક છોકરો છે તે એમ ને એમ કોઈ માણસ દેખાય નહીં ને, ત્યાં આગળ એ ઉછરતો હોયને તો એ વિષય સમજી શકે નહીં. ખાવાપીવાનું સમજી શકે એ. પણ ત્યાં આગળ જાનવર કશું હોવું ના જોઈએ. એને જોવામાં ન આવવું જોઈએ. તો એને કશું વાસના નથી. આ તો બધું વાસનાઓનું સંગ્રહસ્થાન છે, ને ત્યાં જન્મ થવાનો, એટલે પછી શું થાય એ સંગ્રહસ્થાનમાંથી ! એ જોવામાં આવ્યું, ત્યાંથી વાસના ઊભી થઈ જાય. અને તેય અજાયબી છે કે જ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે વાસનાઓ ક્યાંની ક્યાં ઊડી જાય છે, તે જ સમજણ નથી પડતી. પ્રશ્નકર્તા : અંદરનો રસ સૂકાઈ જાય છે. દાદાશ્રી : હા. વસ્તુને વાસના નથી કહેતા, રસને વાસના કહે છે. આ રસ ના હોય તો વાસના ગણાતી જ નથી. એટલે વાસના ક્યાંની ક્યાં ઊડી જાય છે. હવે એ એક કલાકના જ પ્રયોગથી, વધારે પ્રયોગ નહીં પાછો, આ જ્ઞાન પછી વાસના જતી રહે છે ને ! રસ જતો રહે છે ને ? બીજું બધું સ્થૂળ છે. (પા. ૩૬)જ્ઞાની જ છોડાવે, વાસના સહેલાઈથીપ્રશ્નકર્તા : વાસના છોડવાનો સહેલામાં સહેલો ઉપાય કયો ? દાદાશ્રી : મારી પાસે આવો તે ઉપાય. બીજો શો ઉપાય ? વાસના તમે જાતે છોડશો તો બીજી પેસી જશે. કારણ કે એકલો અવકાશ રહેતો જ નથી. તમે વાસના છોડો કે અવકાશ થયો ને ત્યાં પછી બીજી વાસના પેસી જશે. પ્રશ્નકર્તા : આ વાસનાની જગ્યાએ બીજી કોઈ સારી વાસના આવે, તો એ સારી વસ્તુ ના કહેવાય ? દાદાશ્રી : વાસના ચેન્જ થઈ શકે. ખરાબ વાસનાને બદલે સારી વાસના મહીં પેસી શકે, પણ સારી વાસના મહીં પેસે તો પાછું ખરાબ તૈયાર કરી રહી હોય. જો કાયમને માટે સારી વાસના રહી શકે એવું હોય તો બહુ સરસ જગત છે આ. પણ તેવું રહી શકે તેવું નથી. માટે આમાંથી છૂટકારો લેવો સારો. વાસના કન્વર્ટ કરીએ અને સારી વાસના ભેળી કરીએ, એવું બની શકે એવું જ નથી. એ ‘પોસીબલ’ જ નથી. તદ્દન શુભ વાસનાવાળો માણસ દેખાવો પણ મુશ્કેલ છે ! પ્રશ્નકર્તા : એટલે સામાન્ય રીતે પુરુષને સ્ત્રી તરફ જે વલણ રહે છે એમાંથી કેવી રીતે મુક્તિ મેળવાય ? દાદાશ્રી : એવું છે ને, પોતે જ્યાં સુધી પુરુષ હોય ત્યાં સુધી સ્ત્રી તરફનું વલણ રહે જ, જ્યાં સુધી જવાની હોય ત્યાં સુધી. હમણે એંસી વર્ષનાં ડોસાને ના હોય ! દુકાન નાદારીમાં ગઈ પછી શું હોય ? નાદારીની દુકાનમાં કશો માલ હોય ? ત્યારે બાળકને નવ વર્ષ સુધી ના હોય. આ વચલી દુકાન જરા જબરજસ્ત ચાલતી હોય, ધમધોકાર. ત્યારે બધું આ હોય, પણ જ્યાં સુધી પુરુષ છે ત્યાં સુધી આ વાસના રહે અને સ્ત્રી છે ત્યાં સુધી વાસના રહે. પણ પુરુષ જ મટી જાય તો ? પ્રશ્નકર્તા : એ કેવી રીતે મટી શકાય ? દાદાશ્રી : આ વાસનાવાળો એ ચંદ્રેશ અને તમે તો ‘માય નેઈમ (પા. ૩૭)ઈઝ ચંદ્રેશ’ કહો છો. માટે તમે જુદા છો આનાથી. એ વાતની ખાતરી થાય છે ? તો એ તમે કોણ છો ? એટલું જ તમને હું રીયલાઈઝ કરી આપું એટલે તમારી વાસના છૂટી ગઈ. વાસનાઓ શું છે તે ? ‘હું ચંદ્રેશ છું.’ એ મટે તો જ વાસનાઓ જાય, નહીં તો વાસનાઓ જાય નહીં. હું તો શું કહું છું, કે ‘આત્મા શું છે’ એ જાણો, ‘અનાત્મા શું છે’ એ જાણો. એ જાણતાં જ વાસનાઓ ઊડી જશે. જેમ ડેવલપમેન્ટ વધારે ઊંચું, તેમ મૂર્છા ઓછી. આમાં શું ભોગવવાનું છે ? બધું ભોગવીને જ આવેલા છીએ. જેણે ઓછું ભોગવેલું તેને મૂર્છા વધારે. વિષય ને કષાયની ભેદરેખાપ્રશ્નકર્તા : આ ક્રોધ-માન-માયા-લોભ તમે કહ્યું ને, તે આ વિષય શેમાં આવે છે ? ‘કામ’ શેમાં આવે છે ? દાદાશ્રી : વિષય જુદા ને આ કષાય જુદા છે. વિષયોને જો કદી આપણે તેની હદ ઓળંગીએ, હદથી વધારે માંગીએ એ લોભ છે. પ્રશ્નકર્તા : સ્ત્રી-પુરુષના વિષય માટેનો પ્રશ્ન છે. દાદાશ્રી : હા, એ જ ને ! એ વિષયના અતિરેકને લોભ કહ્યો. પ્રશ્નકર્તા : વિષયનો ભૂખ્યો માણસ હોય છે, તે શું ‘વ્યવસ્થિત’ના હિસાબે હોય છે ? દાદાશ્રી : ના. એવું છે ને, કે આ મોટી કડાઈ હોય, ને એની મહીં કઢી કરી હોય, તે કઢીમાં હિંગનો વઘાર કર્યો હોય. હવે છ મહિના પછી એ કડાઈ ફરી અજવાળો, ને પછી એમાં દૂધપાક બનાવો તોય મહીં હિંગની ગંધ આવે. શાથી ? કે હિંગનો પાસ બેસી ગયો છે. એટલે આવી આ વિષયની ગંધ બધી મહીં પડી રહેલી હોય છે. (પા. ૩૮)[3] માહાત્મ્ય, બ્રહ્મચર્યનુંવિષયની કિંમત કેટલી ?પ્રશ્નકર્તા : વિષયમાંથી વિરક્ત થવાની તીવ્ર ભાવના હોય તો પછી એનાથી આસ્તે આસ્તે નીકળી જવાય ? દાદાશ્રી : હા. એ જે તમન્ના છે, એ જ આમાંથી છોડાવે. પણ વિષયની કિંમત સમજી લેવી જોઈએ, કે આની કિંમત કેટલી ? ઊતરેલી દાળની કિંમત છે, ઊતરેલી કઢીની કિંમત છે, પણ વિષયની કિંમત નથી. પણ આ વાત આખા જગતને સમજાય નહીં ને ! પ્રશ્નકર્તા : એટલે એ તો શૂન્ય થયું ? દાદાશ્રી : શૂન્ય તો સારું, પણ આ તો નર્યું માઇનસ જ છે. મનુષ્યને બેક જોવાની શક્તિ જ નથી ને ! એટલે વિષય ચાલુ રહ્યો છે. જુઓને, પાછા રોફથી ચાલે જ છે ને ? એટલે જ્ઞાની પુરુષ પાસે વાતને સમજે તો વિષય જાય ને તો મુક્તિ થાય. વિષયને લઈને તો આ બધું અટક્યું છે. વિષયથી ખરડાયેલાં જીવનપ્રશ્નકર્તા : જે બાળબ્રહ્મચારી હોય તે વધારે ઉત્તમ કહેવાય કે પરણ્યા પછી બ્રહ્મચર્ય પાળે તે ઉત્તમ કહેવાય ? દાદાશ્રી : બાળબ્રહ્મચારીની વાત જ જુદી ને ! પણ આજના બાળબ્રહ્મચારી કેવા છે ? આ જમાનો ખરાબ છે. તેમનું અત્યાર સુધી જે (પા. ૩૯)થયું છે તે જીવન તમે વાંચો, તો વાંચતાની સાથે જ તમારું માથું ચઢી જાય. પ્રશ્નકર્તા : આપણે પોતાનું જ જીવન જોઈએ તો માથું ચઢી જાય, તો વળી એમના જીવનની કંઈ વાત કરો છો ?! દાદાશ્રી : છતાંય હજી એ પાળશે, હજી પાળ બાંધશે તો કંઈક આનો ઇલાજ છે. જ્ઞાની પુરુષ તો કોઈ દહાડો માથે હોય જ નહીં, ને દહાડો વળે નહીં. જ્ઞાની પુરુષ હોય તો આ પાળી શકાય, નહીં તો આ શી રીતે પાળી શકે ? જ્ઞાની પુરુષની કૃપા જોઈએ. ચોગરદમથી જ્યારે મૂંઝાય ત્યારે માર્ગદર્શન બતાવનાર જોઈએ, આમાંથી શી રીતે છૂટાય ? એની બધી ચાવીઓ જ્ઞાની પુરુષને ખબર હોય. બ્રહ્મચર્ય પાળવાના પગથિયાંપ્રશ્નકર્તા : સ્વભાવ મુજબ, પ્રાકૃતિક ગુણધર્મ મુજબ, બીજે દ્રષ્ટિ બગડી જાય, તો એ સંસાર કેમ કરીને ભૂંસે ? દાદાશ્રી : એ ભૂંસવાની અમારી પાસે બધી દવા હોય. આ વર્લ્ડમાં એવી કોઈ દવા નથી કે જે દવા અમારી પાસે ના હોય. આ છોકરાંઓને અમે બ્રહ્મચર્યવ્રત આપ્યું છે. હવે આ બ્રહ્મચર્યવ્રતને લઈનેય કો’ક સ્ત્રી એને ભેગી થઈ જાય, તો એને દ્રષ્ટિનું ખેંચાણ થઈ જાય, ને મન એમનું બગડી જાય ખરું, તો તેને હું દોષ કહેતો નથી. પણ એ થઈ જાય, તો એને પછી એ તરત ભૂંસી નાખવાનાં. કારણ કે અમે સાબુ આપેલો હોય છે. હું રસ્તામાં જતો હોઉં અને મારાં કપડાં ઉપર ડાઘ પડ્યો. તે તરત મને ધોઈ નાખવાનું આવડતું હોય, તો પછી તમારે ત્યાં ચોખ્ખો આવું કે ના આવું ? પ્રશ્નકર્તા : હા, અવાય. દાદાશ્રી : એવી રીતે આમને બધું સાધન આપેલું હોય, નહીં તો મન-વચન-કાયાથી બ્રહ્મચર્યવ્રત શી રીતે પાળી શકાય ? અને તેય આવાં બળતરાના કાળમાં ! (પા. ૪૦)જો તમારે બ્રહ્મચર્ય પાળવું હોય તો તમને ઉપાય બતાવું. તે ઉપાય તમારે કરવાનો હોય, નહીં તો તમારે બ્રહ્મચર્ય પાળવું જોઈએ એવું એ ફરજિયાત વસ્તુ નથી. એ તો જેને મહીં કર્મના ઉદય હોય તો થાય. પૈણવાનો કોઈ જાતનો વાંધો નથી. પણ આ લોકોને પૈણવામાં સુખ દેખાતું જ નથી. એમને પોષાતું જ નથી. એ ના પાડે છે, ત્યારે અમે બ્રહ્મચર્યવ્રત આપીએ છીએ, નહીં તો હું કોઈને એવું બ્રહ્મચર્યવ્રત લેવાનું કહું નહીં. કારણ કે વ્રત લેવું, વ્રત પાળવું એ કંઈ જેવી તેવી વસ્તુ નથી. બ્રહ્મચર્યવ્રત લેવું એ તો એમનો પૂર્વકર્મનો ઉદય હોય તો સચવાય. પૂર્વે ભાવના કરેલી હોય તો સચવાય, અગર તો જો તમે સાચવવા ધારશો તો સચવાશે. અમે શું કહીએ છીએ કે તમારો નિશ્ચય જોઈએ ને અમારું વચનબળ જોડે છે, તો આ સચવાય એવું છે. વ્રતના પરિણામપ્રશ્નકર્તા : એ તો એની ભૂમિકા પ્રમાણે થાય ને ? આ મનોબળ ઉપર કંઈ બધી વસ્તુનો આધાર રખાતો નથી. એની આધ્યાત્મિક સ્ટેજની ભૂમિકા જોઈએ, તો જ આ વસ્તુ શક્ય છે ને ? દાદાશ્રી : એ શક્ય હોય કે ના હોય, પણ અત્યારે શક્ય થઈ પડ્યું છે. કેટલાંક સ્ત્રી-પુરુષો અમારી પાસે કાયમનું બ્રહ્મચર્યવ્રત લે છે. આ ભાઈ ને એમનાં વાઇફે નાની ઉંમરથી બ્રહ્મચર્યવ્રત લીધું છે. એવું મુંબઈમાં કેટલાંય જણે લીધું છે. કારણ કે મહીં ગજબનું સુખ વર્તે. સુખ એટલું બધું વર્તે કે આ વિષય એમને યાદ જ નથી આવતો. પ્રશ્નકર્તા : દેહની સાથે જે કર્મ ચાર્જ થઈને આવેલા હોય તે ફેરફાર તો ના થાય ને ? દાદાશ્રી : ના, કશો ફેરફાર ના થાય. છતાં વિષય એવી વસ્તુ છે ને, કે જ્ઞાની પુરુષની આજ્ઞાથી આ એકલું જ ફેરફાર થાય. છતાં આ વ્રત બધાને ના અપાય. અમે અમુકને જ આ આપેલું છે. જ્ઞાનીની આજ્ઞાથી બધું જ ફેરફાર થઈ જાય. સામાએ ખાલી નિશ્ચય જ કરવાનો કે ગમે તે થાય, પણ મારે આ જોઈતું જ નથી. તો તેને પછી અમે આજ્ઞા આપીએ (પા. ૪૧)છીએ અને અમારું વચનબળ કામ કરે છે. એટલે પછી એનું ચિત્ત બીજે ના જાય. આ બ્રહ્મચર્ય જો કોઈ પાળે ને, જો ઠેઠ સુધી પાર નીકળી ગયો ને, તો બ્રહ્મચર્ય તો બહુ મોટી વસ્તુ કહેવાય. આ ‘દાદાઈજ્ઞાન’, ‘અક્રમ વિજ્ઞાન’ અને જોડે જોડે બ્રહ્મચર્ય એ બધું હોય, પછી એમને શું જોઈએ ? એક તો આ ‘અક્રમ વિજ્ઞાન’ જ એવું છે કે જો કદી એ અનુભવ, વિશેષ પરિણામ પામી ગયો, તો એ રાજાઓનો રાજા છે. આખી દુનિયાના રાજાઓએ પણ ત્યાં નમસ્કાર કરવા પડે !! પ્રશ્નકર્તા : અત્યારે તો પડોશીય નમસ્કાર નથી કરતો ! દાદાશ્રી : તે શી રીતે પડોશી કરે ? જ્યાં સુધી હજુ પારકા ખેતરમાં પેસી જાય છે, ત્યાં સુધી શી રીતે એવું બને ? આજ્ઞાપૂર્વકનું વ્રત તે સાચુંપ્રશ્નકર્તા : કોઈ વિધવા હોય, વિધુર હોય તે બ્રહ્મચર્યવ્રત પાળે છે, એનાં કરતાં આપનું આપેલું બ્રહ્મચર્યવ્રત પાળે તો બહુ ફેર પડે ને? દાદાશ્રી : પેલું બ્રહ્મચર્યવ્રત કહેવાય જ નહીં ને ! જ્યાં બ્રહ્મચર્ય મનનું નથી, ત્યાં બ્રહ્મચર્ય કહેવાતું નથી અને જ્ઞાન સિવાય બ્રહ્મચર્ય કોનું પાળે ? પોતાને જ્ઞાન છે નહીં. આ તો ‘હું કોણ છું’, એનું જ ઠેકાણું નથી ને ! પ્રશ્નકર્તા : એ મેડિટેશનવાળામાં એવું કહે છે કે તમે બ્રહ્મચર્યવ્રત પાળો. દાદાશ્રી : હા, પણ એવું કંઈ સહેલું નથી. એને કહીએ, ‘તું જ પાળને, મને શું કરવા કહું છું ?’ આમ બધાને કહે, પણ પોતે પાછાં પોલ મારે. બ્રહ્મચર્ય તો કોણ પાળી શકે ? જ્ઞાની પુરુષના હાથ નીચે હોય, એ બધા બ્રહ્મચર્ય પાળી શકે. એટલે આ બ્રહ્મચર્ય, જો એમ ને એમ પાળવા ગયો અને જો કદી સાચવતાં ના આવડ્યું તો માણસ મેડ થઈ જાય. અમારી આ શોધખોળ બહુ સુંદર છે, આખું વિજ્ઞાન બહુ સુંદર છે અને (પા. ૪૨)આખું વર્લ્ડ એક્સેપ્ટ કરે એવું છે. આ સાયન્ટિસ્ટો બધાનેય આ એકસેપ્ટ કરવું પડશે. બ્રહ્મચર્ય તો કેવું હોવું જોઈએ ?આ ‘અક્રમ વિજ્ઞાન’ છે. આ તો બહુ અજાયબ વિજ્ઞાન છે. જગત જ્યારે જાણશે ત્યારે કૂદાકૂદ કરશે. તમને સ્ત્રી ઉપર વૈરાગ આવ્યો કે ના આવ્યો ? કેટલી વારમાં? અત્યારે પા કલાકમાં જ ? ત્યારે જ્ઞાનીઓની ચાવીઓથી કેવા વૈરાગ આવે છે !!! અને આમ પહેરો ભરીએ, તે ક્યારે પાર આવે ? આમ પહેરો ભરે તો પેલી બાજુ પેસી જશે. અમે કોઈની ઉપર પહેરો જ ભરીએ નહીં ને ! અમે ક્યાં પહેરો ભરીએ ? આ ગંદવાડામાં જેને લબદાવું જ છે, તેને પછી અમે છોડી દઈએ ! અહીં આ છોકરાઓ બ્રહ્મચર્ય પાળે છે એ તો સહજ સ્વભાવે રહે, એક ક્ષણ પણ ચૂક્યા સિવાય નિરંતર રહે. સાતમી નર્કનું વર્ણન કરે તોય માણસ સાંભળતા જ મરી જાય. ત્યારે બોલો, ત્યાં કેટલો ભોગવટો હશે ? કે ફરી સંસાર ભોગવવાની તો ચડીચૂપ ! એક વિષયને લીધે આ સંસાર ઊભો રહ્યો છે. આ સ્ત્રી વિષય ના હોય ને, તો બીજા બધા વિષય તો કોઈ દહાડોય નડતા નથી. એકલા આ વિષયનો અભાવ થાય તોય દેવગતિ થાય. આ વિષયનો અભાવ થયો કે બીજા બધા વિષયો બધું જ કાબૂમાં આવી જાય અને આ વિષયમાં પડ્યો કે વિષયથી પહેલાં જાનવર ગતિમાં જાય અને એથી વધારે વિષયી હોય તો નર્કગતિમાં જાય. વિષયથી બસ અધોગતિ જ છે. કારણ કે એક વિષયમાં તો કંઈ કરોડો જીવ મરી જાય છે ! સમજણ ના હોય છતાંય જોખમદારી વહોરે છે ને ! એટલે જ્યાં હિંસા છે, ત્યાં ધર્મ જેવું કશું જ નથી. પ્રશ્નકર્તા : સમજવા છતાં જગતના વિષયોમાં મન આકર્ષાયેલું રહે છે, સમજીએ છીએ કે સાચું-ખોટું શું છે, છતાં વિષયોમાંથી છૂટાતું નથી. તો એનો ઉપાય શો ? (પા. ૪૩)દાદાશ્રી : જે સમજણ ક્રિયાકારી હોય તે જ સાચી સમજણ કહેવાય. બીજી બધી વાંઝિયા સમજણ કહેવાય. બે શીશી હોય. એક શીશીમાં વિટામીનનો પાવડર હોય, બીજી શીશીમાં પોઈઝન હોય, બંનેમાં સફેદ પાવડર હોય તો આપણે છોકરાંને સમજ પાડીએ કે આ વિટામીન છે તે લેજે અને આ બીજી શીશીમાંથી ના લઈશ. બીજી શીશીમાંથી લઈશ તો મરી જવાશે. એટલે એ છોકરો ‘મરી જઈશ’ શબ્દ સાંભળ્યો એટલે એ સમજી ગયો નથી. બોલે ખરો કે આ દવા લેવાથી મરી જવાય, પણ મરી જવું એટલે શું, એ સમજતો નથી. આપણે એને કહેવું પડે, કે ફલાણા કાકા તે દહાડે મરી ગયા’તા ને ? પછી બધાએ એને ત્યાં બાળી મેલ્યા’તા, એવું આ દવાથી થાય. એવી એક્ઝેક્ટલી જ્યારે સમજ પડે ત્યારે એ સમજ જ ક્રિયાકારી થાય. પછી એ પોઈઝનને અડે જ નહીં. અત્યારે આ સમજની એને એક્ઝેક્ટનેસ આવી નથી. આ સમજ તો લોકોએ શીખવાડેલી લોન તરીકે લીધેલી છે. પ્રશ્નકર્તા : એ સમજ ક્રિયાત્મક થાય, તે માટે શું પ્રયત્ન કરવો ? દાદાશ્રી : હું તમને વિગતવાર સમજણ પાડું. પછી એ સમજણ જ ક્રિયા કર્યા કરે. તમારે કશું કરવાનું નહીં. તમે ઊલટો ડખો કરવા જાવ તો બગડી જાય. જે જ્ઞાન, જે સમજણ ક્રિયાકારી હોય, તે સાચી સમજણ છે અને તે સાચું જ્ઞાન છે. મારી વાત તમને ઠોકી બેસાડવાની નથી. તમને તમારી પોતાની જ સમજમાં આવવું જોઈએ. મારી સમજ મારી પાસે અને એ સમજ તમને ઠોકી બેસાડાય નહીં અને એમ ઠોકી બેસાડવાથી તો કશું કામ જ ના થાય. તમને એ સમજ બેસી જાય અને તમે તમારી સમજથી ચાલો. આ દુનિયામાં કોઈ ચીજની નિંદા કરવા જેવી હોય તો તે અબ્રહ્મચર્ય. બીજી બધી એટલી નિંદા કરવા જેવી ચીજ નથી. બ્રહ્મચર્ય ન પળાય એની વાત જુદી છે, પણ બ્રહ્મચર્યના વિરોધી તો ન જ થવું જોઈએ. બ્રહ્મચર્ય તો મોટામાં મોટું સાધન છે. આપણું બ્રહ્મચર્ય એ પવિત્ર વસ્તુ હોવી જોઈએ. બ્રહ્મચર્ય એ માનસિક વસ્તુ નથી, (પા. ૪૪)આ બીડીના વ્યસન જેવું અબ્રહ્મચર્યનું નથી. વિષય સંબંધી અણસમજણને લઈને બ્રહ્મચર્ય ટકતું નથી. બ્રહ્મચર્યને માટે, જ્ઞાની પુરુષની પાસે સમજણ જો સમજી લે તો બ્રહ્મચર્ય સરસમાં સરસ ટકે. સમજવાની જ જરૂર હોય છે એમાં. આ વ્યસન એ જુદું છે ને અબ્રહ્મચર્ય એ જુદી વસ્તુ છે. આ તો અનાદિથી લોકપ્રવાહ આવો ને આવો ચાલ્યો આવે છે, ને તેનાથી લૌકિક જ્ઞાન ઊભું થઈ ગયું છે અને પાછી એની અવળી સમજ બેસી ગઈ. હવે જેવી સમજ બેસી ગઈ એટલે પછી એવું વર્તનમાં આવ્યા વગર રહે નહીં. વ્યવહારમાં પણ બ્રહ્મચર્ય પાળવાનું શાથી કહ્યું છે કે નોર્માલિટીમાં રહે. તેનાથી દેહ, મન બધું સારું રહે. જગતના લોકોને તો મન-વચન-કાયાથી બ્રહ્મચર્ય પળાય જ નહીં ને ?! આ તો ફક્ત આપણે અહીં પાળી શકાય. આ લોકો વ્રત લે છે. તે પછી વ્રત લેવાથી શું થાય કે મન બધું ઠેકાણે રહે, મન બાઉન્ડ્રીમાં રહ્યા કરે અને વ્રત ના લે તો એમનું ચિત્ત બધું ભટકતું જ હોય ! છતાં, સંસારમાંય જો કદી આ દ્રષ્ટિ સાચવે તો એ આગળ આગળ વધતો જાય અને એને પણ મોક્ષનો રસ્તો મળી આવે. આ તો જે મને ભેગો ના થયો હોય, એવા બહારના લોકો માટે કહું છું ! બ્રહ્મચર્ય એ કદી એક છ જ મહિના સાચા દિલથી પાળ્યું હોય, મન-વચન-કાયાએ કરીને, તો એ ગુલાબ આવડાં આવડાં મોટાં થાય. બ્રહ્મચર્ય એ તો મોટામાં મોટું ખાતર છે. જેમ ગુલાબને ખાતર નાખીએ તો આવડાં નાનાં હોય તે પછી આવડાં મોટાં થાય. એટલે એક છ જ મહિના જેને પાળવું હોય તે પાળે ! છ મહિનાના બ્રહ્મચર્યથી તો શરીરમાં કેટલો બધો ફેરફાર થઈ જાય ! પછી વાણી બોલે તે આમ બોમ્બ પડે એવી નીકળે ! જ્યાં સુધી સંસારના કોઈ પણ વિષયમાં મન ઘૂસી ગયું હોય ત્યાં સુધી બધા જ ડીપાર્ટમેન્ટ ઉપર ફૂલ (full) શક્તિ ચાલે નહીં ! કોઈ પણ દિશામાં પ્રવહન કરવું એ મનનો સ્વભાવ છે ! આથી મનને ધાર્યું વાળી શકાય એવું છે, એને ડાયવર્ટ કરી શકાય એવું છે. બે-પાંચ વર્ષ જ જો મનને આ બ્રહ્મચર્ય તરફ વાળે, આ એક જ દિશામાં વહન કરે તો એની સામે કોઈ આંખ પણ માંડી ના શકે ! (પા. ૪૫)અબ્રહ્મચર્યથી જ બધા રોગ ઊભા થાય છે. એટલે બ્રહ્મચર્ય પાળવું એ સિદ્ધાંત રાખવો જોઈએ અને તે પહેલેથી જ જાણવો સારો ! એંસી વર્ષે આ સિદ્ધાંત જાણીએ તો શું કામનો ? આપણું અસ્તિપણું એક જ જગ્યાએ હોય, બે જગ્યાએ ના હોય. એટલે બને ત્યાં સુધી સિદ્ધાંતને પાળવો. અત્યારે ચારિત્રની કિંમત જ ઊડી ગઈ છે. બ્રહ્મચર્યની તો કિંમત જ ઊડી ગઈ છે ને ? સ્વચ્છ જીવન જીવવાની કિંમત જ ઊડી ગઈ છે ! પવિત્ર જીવન જ જીવવાનું છે. અભિપ્રાય બદલ્યે નીકળવા માંડેપ્રશ્નકર્તા : પણ માનસશાસ્ત્રીઓ કહે છે કે વિષય બંધ થાય જ નહીં, છેક સુધી રહે. એટલે પછી વીર્યનું ઊર્ધ્વગમન થાય જ નહીં ને? દાદાશ્રી : હું શું કહું છું કે વિષયનો અભિપ્રાય બદલાય કે પછી વિષય રહેતો જ નથી ! જ્યાં સુધી અભિપ્રાય બદલાય નહીં ત્યાં સુધી વીર્યનું ઊર્ધ્વગમન થાય જ નહીં. આપણે અહીં તો સીધો આત્મામાં જ ઘાલી દેવાનો છે, એનું નામ જ ઊર્ધ્વગમન છે ! વિષય બંધ કરવાથી એને આત્માનું સુખ વર્તાય અને વિષય બંધ થયો એટલે વીર્યનું ઊર્ધ્વગમન થાય જ. અમારી આજ્ઞા જ એવી છે કે વિષય બંધ થઈ જાય છે. પ્રશ્નકર્તા : આજ્ઞામાં શું હોય છે ? સ્થૂળ બંધ કરવાનું ? દાદાશ્રી : સ્થૂળને અમે કંઈ કહેતા જ નથી. મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બ્રહ્મચર્યમાં રહે એવું હોવું જોઈએ. અને મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર, બ્રહ્મચર્ય માટે ફરી ગયાં એટલે સ્થૂળ તો એની મેળે આવે જ. તારાં મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકારને ફેરવ. અમારી આજ્ઞા એવી છે કે આ ચારેય ફરી જ જાય છે !! ગજબના એ બ્રહ્મચારી‘આ’ ‘પબ્લિક ટ્રસ્ટ’ એવું છે કે સંપૂર્ણ નીરોગી છે. વર્લ્ડનું ટોપમોસ્ટ છે આ ! તમારે જે રોગો કાઢવા હોય, તે કાઢી શકાય એમ છે ! જે સુંદર બ્રહ્મચર્ય પાળતા હોય, એમને આધીન રહીને બ્રહ્મચર્ય પાળી શકાય. નહીં (પા. ૪૬)તો પોતે પાળતા ના હોય, પોતાની મહીં ગુપ્ત ‘ડિફેક્ટ’ હોય, તો પોતાને જ પાળવાની મુશ્કેલી પડી જાય. એટલે આખા હિન્દુસ્તાનમાં કોઈ જગ્યાએ બ્રહ્મચર્ય સંબંધી વાત કોઈ કરતું જ નથી ને ?! હું જેમાં ‘હન્ડ્રેડ પરસેન્ટ’ કરેક્ટ હોઉં, તેનો જ તમને ઉપદેશ આપું, તો જ મારું વચનબળ ફળે. પોતામાં સહેજ પણ ‘ડિફેક્ટ’ હોય તો બીજાને ઉપદેશ શી રીતે આપી શકાય ? વિષયની જોખમદારી બહુ જ મોટી છે. મોટામાં મોટી જોખમદારી હોય, તો તે વિષયની છે. એનાથી પાંચેય મહાવ્રત અને અણુવ્રત તૂટે છે. પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષનાં વાક્યો વિષયનું વિરેચન કેવા પ્રકારે કરાવે ? દાદાશ્રી : વિષય બંધ થતા જાય દહાડે દહાડે, નહીં તો લાખ અવતાર ચોપડીઓ વાંચે તોય કશું ના વળે. પ્રશ્નકર્તા : એમનું વાક્ય શાથી આવું અસરકારક થઈ શકે છે ? દાદાશ્રી : એમનું વાક્ય બહુ જબરજસ્ત હોય, જોરદાર હોય ! ‘જુલાબ આપે એવા શબ્દ’ કહ્યું, ત્યારથી જ ના સમજીએ કે એમના શબ્દમાં કેટલું બળ છે ! પ્રશ્નકર્તા : એ વચનબળ જ્ઞાનીને કઈ રીતે પ્રાપ્ત થયું હોય ? દાદાશ્રી : પોતે નિર્વિષયી હોય તો જ વચનબળ પ્રાપ્ત થાય, નહીં તો વિષયનું વિરેચન કરાવે એવું વચનબળ હોય જ નહીં ને ! મન-વચન- કાયાથી સંપૂર્ણ રીતે નિર્વિષયી હોય ત્યારે એમના શબ્દથી વિષયનું વિરેચન થાય. ‘જ્ઞાની પુરુષ’નાં વાક્યો વિષયનું વિરેચન કરાવનારાં છે. વિષયનું વિરેચન ના કરાવતાં હોય તો એ ‘જ્ઞાની પુરુષ’ જ નથી. (પા. ૪૭)ખંડ : ૨ ‘ના જ પરણવા’નાં નિશ્ચયી માટેની વાટ[1] વિષયથી, કઈ સમજણે છૂટાય ?ના પૈણવાના નિશ્ચયીનેપ્રશ્નકર્તા : મારે લગ્ન કરવાની ઇચ્છા નથી, પરંતુ મા-બાપ તેમજ અન્ય સગાસંબંધી લગ્ન માટે દબાણ કરે છે. તો મારે લગ્ન કરવાં કે નહીં ? દાદાશ્રી : જો લગ્ન કરવાની ઇચ્છા જ ના હોય તો આપણું આ ‘જ્ઞાન’ તમે લીધું છે એટલે તમે પહોંચી શકશો. આ જ્ઞાનના પ્રતાપે બધું જ થાય એમ છે. હું તમને કેવી રીતે વર્તવું, તે સમજાવીશ અને જો પાર ઊતરી ગયા, તો તો બહુ ઉત્તમ. તમારું કલ્યાણ થઈ જશે !!! પ્રશ્નકર્તા : પૈણાવા માટે બધા લોકો બહુ ફોર્સ કરે છે. દાદાશ્રી : તમને ‘વ્યવસ્થિત’ સમજાઈ ગયું છે કે નહીં ? પ્રશ્નકર્તા : વ્યવસ્થિત તો સમજાઈ ગયું છે. દાદાશ્રી : તો ‘વ્યવસ્થિત’ની બહાર કોઈનુંય ચાલવાનું નથી. માટે ‘વ્યવસ્થિત’ ઉપર છોડીને નક્કી રાખો, દ્રઢ નિશ્ચય કરો કે મારે નથી જ પૈણવું. પણ પૈણ્યા વગર તને શી રીતે ચાલશે ? (પા. ૪૮)પ્રશ્નકર્તા : કયા ભવમાં અનુભવ નથી કર્યો ? દાદાશ્રી : ખરું કહે છે કે કયા ભવમાં અનુભવ નથી કર્યો ! બકરીમાં, કૂતરામાં, ગધેડામાં, વાઘમાં, જ્યાં જાવ ત્યાં આના આ જ અનુભવ કર્યા છે ને?! પણ પૈણવાનું જો ધ્યેયપૂર્વક છૂટે તો સારું. હવે તારે ‘લોકોને જે અનુભવ થયા છે એ મને જ થયા છે’, એવી ગોઠવણી કરી લેવી પડશે ને ? નહીં તો જગતના લોકો તને બિનઅનુભવી કહેશે. પૈણવું કે ના પૈણવું એ ‘વ્યવસ્થિત’ના તાબામાં છે, પણ અત્યારે જો પાંચ વર્ષ આ જ્ઞાનના આધારે બ્રહ્મચર્ય પાળે તો કેટલી બધી શક્તિઓ પ્રગટ થઈ જાય અને આ દેહનું બંધારણ કેવું સરસ થઈ જાય ! આખી જિંદગી તાવતરિયો જ ના આવે ને !! આપણું આ વિજ્ઞાન થોડા વખતમાં સેફસાઈડ કરી નાખે એવું છે. જેને ભગવાન પણ ના પૂછી શકે એવી સેફસાઈડ કરે એવું આ વિજ્ઞાન છે. ખાવાપીવાની બધી છૂટ આપી છે ને ? મેં જો ખાવાપીવાનો વાંધો કર્યો હોત, તો અહીં ઘણા ખરાં આવત જ નહીં. એટલે અમે છૂટ આપી છે. આ સંસારચક્રનો આધાર વિષય પર છે. છે તો પાંચ જ વિષય, પણ સ્ત્રી સંબંધીનો તો બહુ જ ભારે વિષય છે. એના તો પછી ભારે સ્પંદનો ઊડે છે. આપણું જ્ઞાન એવું સરસ છે ને એમાં રહ્યા કરે, તો કશું એને અડે નહીં અને પાછલું બધું ધોવાઈ જાય. પણ વિષય બાબતમાં જાગૃત રહેવું પડે. ત્યાં તો ‘આમાં સુખ જ નથી અને આ ફસામણ જ છે’ એ અભિપ્રાય રહેવો જોઈએ. એ બગીચો ન હોય. એ ફસામણ જ છે. એવું ભાન રહે તો છૂટી જવાય. પણ અહીં એવું ભાન રહેતું નથી ને ? ફસામણ હોય તો ત્યાં કેવું રહે ? અને બગીચામાં ફરતા હોય તો કેવું રહે ? બગીચામાં તો આમ ઉલ્લાસ રહે જ્યારે ફસામણમાં તો ક્યારે આમાંથી છૂટાય એવું રહે ને ? માટે ‘આપણે’ ‘ચંદ્રેશ’ને કહેવું ‘ચંદ્રેશ આમાંથી ક્યારે છૂટશો ! આ તો ફસામણ છે. આમાં પડવા જેવું નથી.’ પણ આમાં ફસામણ જેવું નથી રહેતું ને ત્યાં જ મુક્ત ભાવ થઈ જાય છે ને ? હવે જો આખી સમજણ ફેર કરી નાખે તો ઉકેલ આવે. (પા. ૪૯)સમજીને પેસો આમાં...પ્રશ્નકર્તા : આજે ડીસિઝન લઈ લીધું છે, પણ પાછલો માલ ઘણો છે. તો ડીસિઝનના આધારે આમાંથી મારે નીકળી જવાશે ? દાદાશ્રી : ડીસિઝન સાચું હોય તો નીકળી જ જવાય, નિશ્ચય મુખ્ય વસ્તુ છે. નિશ્ચય જેણે પકડ્યો છે, એને દુનિયામાં કોઈ કશું નામ ના દે. તને કેમ શંકા પડે છે ? શંકા પડે છે, એ જ અનિશ્ચય કહેવાય. પ્રશ્નકર્તા : આપને પૂછીને ચોક્કસ કરી લઉં છું. દાદાશ્રી : ના, પણ શંકા પડે છે એ જ અનિશ્ચય છે. કશું થવાનું નથી. દાદા માથે છે, પછી શું થનાર છે ? માટે શંકા રાખવા જેવું નથી. આ જ્ઞાન છે એટલે બ્રહ્મચર્યમાં રહેવાશે, નહીં તો હું તમને ના જ પાડી દઉં. હું તો આજ્ઞા કરી દઉં કે તમારે પૈણવું પડશે. આ તો ‘આ’ જ્ઞાન છે એટલે તમને હા પાડું છું. કારણ કે માણસને સુખનું સાધન જોઈએને ? મરતો માણસ કયા સુખના આધારે જીવે ? આ જ્ઞાન એવું છે કે તમે આ જ્ઞાનથી આત્માના ધ્યાનમાં રહો કે તરત આનંદમાં આવી જાવ. અગર તો કલાક બધે શુદ્ધાત્મા જુઓ, રીયલ ને રીલેટિવ જુઓ તો બધું રેગ્યુલર. બ્રહ્મચર્ય અરધી જિંદગી પાળીશ કે પછી પૈણીશ ?! પછી તો પૈણાય જ નહીં અને પછી તો પૈણવાનો વિચાર સરખોય ના આવવો જોઈએ, એ વિચાર એય ગુનો છે. હું કહું છું કે કોઈ કોઈની નકલ કરશો નહીં. અલ્યા, જરા વિચાર તો કરો. આ કંઈ નકલ કરવા જેવી ચીજ ન હોય. એના કરતાં પૈણને ! પૈણવાથી કંઈ મોક્ષ જતો રહેવાનો નથી. બીજા ધર્મમાં તો પૈણવાથી મોક્ષ જતો રહે. ના પૈણવાથીય કંઈ મોક્ષ મળતો નથી અને પૈણવાથીય મોક્ષ મળતો નથી. તે અનંત અવતારથી આ બાવા થયેલા છે, તોય મોક્ષ થયેલો નહીં. પેલો બ્રહ્મચર્ય પાળે છે, માટે મારે પણ તેવું કરવું જ જોઈએ. એવું બધા કરશો નહીં. એવું આમાં ના ચાલે. પોતાની જાતને ખૂબ તાવી જોવી જોઈએ. અમે આ અમુક અમુક છોકરાને તાવી જોયેલા, એમને તો સ્ત્રીની વાત કહેતાં જ એ ડરે છે. પૈણાવાની વાત સંભારીએ તે પહેલાં જ એને ભડકાટ ભડકાટ થઈ જાય છે. એટલે પછી અમે જાણ્યું (પા. ૫૦)કે એનાં ઉદયમાં સ્ત્રી છે જ નહીં. આ જે બ્રહ્મચર્યનું પકડ્યું છે, એ બહું સારું કર્યું છે. પણ તાનના માર્યા પકડો, એવું ના પકડશો. પકડો તો સમજીને પકડજો. હવે જો કુસંગમાં પેઠો કે મહીં તરત દહીં થઈ જશે. જે દૂધની ચા કરવાની છે, તે દૂધ ફાટી જશે. મહીં દહીં નાખ્યા વગર આખી રાત પાંજરામાં દૂધ અને દહીં જોડે જોડે મૂક્યા હોય તો સવારે દૂધ ફાટી જાય કે નહીં ? એવું બને કે નહીં ? એટલે આટલી બધી અસરવાળું આ જગત છે. દહીં નાખ્યા વગર ફાટી જાય. એટલા માટે બહુ સ્ટ્રોંગ રહેવું. આ બ્રહ્મચર્યની લાઈનમાં સુખેય પાર વગરનું છે. બેફામ સુખ તમને મળ્યા કરે. પણ જો કદી તેમાં સહેજ ગૂંચાયા ને લપસી પડ્યા તો મારેય એટલો પડે. માટે અમે તમને ચેતવીએ. વિષય તો એવી વસ્તુ છે ને, કે એ માણસને લપસાવી પાડે. લપસી પડ્યો તેનો ખેદ ના કરીશ. પણ આ જગ્યાએ લપસી પડાય એમ છે, માટે ત્યાં જાગૃત રહેજે. ફરી ફરી કરવો નિશ્ચય દ્રઢબ્રહ્મચર્યવ્રત લેવાના વિચાર આવે અને જો એનો નિશ્ચય થાય તો એના જેવી મોટામાં મોટી વસ્તુ બીજી કઈ કહેવાય ? એ બધા શાસ્ત્રો સમજી ગયો !! જેને નિશ્ચય થયો કે મારે હવે છૂટવું જ છે, તે બધા શાસ્ત્રો સમજી ગયો. વિષયનો મોહ એવો છે કે ગમે તેવા નિર્મોહીને પણ મોહી બનાવી દે. અરે, સાધુ-આચાર્યોનેય ટાઢા પાડી મેલે ! પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યનો નિશ્ચય કર્યો છે, એને વધારે મજબૂત કરવા શું કરવું જોઈએ ? દાદાશ્રી : આપણે ‘નિશ્ચય મજબૂત કરવો છે ’ એવું નક્કી કરવું જોઈએ. પ્રશ્નકર્તા : એકવાર આપણે આટલું બોલ્યા પછી હેન્ડલ તો વારંવાર મારવા પડે ને ? દાદાશ્રી : હા, એ જ ફરી ફરી નિશ્ચય કરવાનો છે અને ‘હે દાદા (પા. ૫૧)ભગવાન! હું નિશ્ચય મજબૂત કરું છું, મને નિશ્ચય મજબૂત કરવાની શક્તિ આપો.’ એવું બોલ્યા કે શક્તિ વધે. પ્રશ્નકર્તા : આ અવતારે તો ઉદયમાં બ્રહ્મચર્ય આવ્યું. પછી તે બીજા અવતારમાં કેવું હોય ? દાદાશ્રી : બીજા અવતારમાં પણ એવું જ આવે. અત્યારે એ એમ જ કહે કે આ બ્રહ્મચર્ય તો બહુ સરસ છે, આવું જ જોઈએ. તો બીજા અવતારમાં પણ એ થવાનું. પ્રશ્નકર્તા : અમને વિચારો ઉપરથી ખ્યાલ તો આવેને, કે ઉદયમાં કેવું આવે છે ? દાદાશ્રી : નિશ્ચય હોય તેને કશુંય અડે નહીં. એ ગમે તેવું કરે કે ગમે તેવા વિચાર આવે તો પણ અડે નહીં. નહીં તો ઓછા વિષયવાળાને પણ ‘વિષય’ ઉદયમાં આવી જાય. માટે નિશ્ચય જોઈએ ! જેનો નિશ્ચય ડગે નહીં એને કશું ના થાય, નિશ્ચય ડગે તેને બધા ભૂતાં પેસી જાય, બધોય રોગ પેસી જાય. પ્રશ્નકર્તા : નિશ્ચય મજબૂત હોય તો વિચાર આવે તો વાંધો નહીં ? દાદાશ્રી : ના, એ વિચાર પેસે જ નહીં એને. કારણ કે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એટલે નિશ્ચય થાય, નહીં તો નિશ્ચય થાય જ નહીં. હે વિષય ! તારા પક્ષમાં, હવે નહીંપ્રશ્નકર્તા : આ વિચારોને દબાવી દઉં, એમ કરું છું છતાંય વિચારો આવે છે. દાદાશ્રી : મારું કહેવાનું કે વિચારો આવે છે તેનો વાંધો નથી, પણ વિચારો જે આવે છે, તેને જોયા કરો અને એના અમલમાં તમે ના ભળો. જે વિચારો આવે છે, એના અમલમાં તમે સહી ના કરો. એ કહે, ‘સહી કરો.’ તો આપણે કહીએ ‘ના બા, હવે સહી નહીં થાય. બહુ દહાડા અમે સહી કરી, હવે સહી નહીં કરી આપીએ.’ અમે એવું કહીએ છીએ કે તું એવું નક્કી કર કે આમાં ભળવું જ નથી. છૂટો રહીને જોયા કર. એટલે (પા. ૫૨)એક દહાડો તું છૂટી જઈશ. પ્રશ્નકર્તા : વિષયના વિચાર આવે તો પણ જોયા કરવાના ? દાદાશ્રી : જોયા જ કરવાના. ત્યારે શું એને સંગ્રહી રાખવાના ? પ્રશ્નકર્તા : ઉડાડી નહીં દેવાના ? દાદાશ્રી : જોયા જ કરવાના, જોયા કર્યા પછી છે તે આપણે ચંદ્રેશને કહેવું કે એનાં પ્રતિક્રમણ કરો. મન-વચન-કાયાથી વિકારી દોષ, ઇચ્છાઓ, ચેષ્ટાઓ, એ બધા દોષો જે થયા હોય, એનું પ્રતિક્રમણ કરવું પડે. વિષયના વિચાર આવે છે પણ પોતે એમાંથી છૂટે, તો કેટલો બધો આનંદ થાય છે ?! તો વિષયથી કાયમ છૂટે તો કેટલો આનંદ રહે ? મોક્ષે જવાના ચાર પાયા છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપ. હવે તપ ક્યારે કરવાનું આવે ? મનમાં વિષયના વિચાર આવતા હોય અને પોતાનો સ્ટ્રોંગ નિશ્ચય હોય કે મારે વિષય ભોગવવો જ નથી. તો આને ભગવાને તપ કહ્યું. પોતાની કિંચિત્માત્ર ઇચ્છા ના હોય, છતાં વિચારો આવ્યા કરે ત્યાં તપ કરવાનું છે. અબ્રહ્મચર્યના વિચારો આવે, પણ બ્રહ્મચર્યની શક્તિઓ માંગ માંગ કરે, એ બહુ ઊંચી વાત છે. બ્રહ્મચર્યની શક્તિઓ માંગ માંગ કરે એટલે કોઈને બે વર્ષે, કોઈને પાંચ વર્ષે પણ એવો ઉદય આવી જાય. જેણે અબ્રહ્મચર્ય જીત્યું એણે આખું જગત જીત્યું. બ્રહ્મચર્યવાળા પર તો શાસનદેવ-દેવીઓ બહુ ખુશ રહે. લોકદ્રષ્ટિથી ઊંધું જ ચાલ્યા કરે ને ? પણ જ્ઞાની પુરુષની હાજરી હોય ત્યારે બ્રહ્મચર્ય પળાય, નહીં તો ના પળાય. એક વિચાર ના બગડવો જોઈએ. વિચાર ફર્યો કે બધું બગડ્યું. કોઈ પણ રસ્તે એક વિચારેય ફરવો જ ના જોઈએ. આ જ્ઞાન છે એટલે જાગૃતિ તો છે જ આપણને ! જાગૃતિ છે એટલે વિચાર આપણો ફરે નહીં, તો કશું થાય નહીં. છતાં વિચારફેર થાય તો પ્રતિક્રમણ કરવાં પડે. કારણ એ પાછલો હિસાબ છે. એ એક ભવનો જે બગાડ થયેલો હોય, તે ચૂકવી નાખો. (પા. ૫૩)એક ચેતવા જેવું તો વિષય બાબતમાં છે. એક વિષયને જીતે તો બહુ થઈ ગયું. એનો વિચાર આવતાં પહેલાં જ ઉખેડી નાખવું પડે. મહીં વિચાર ઊગ્યો કે તરત જ ઉખેડી નાખવું પડે. બીજું, આમ દ્રષ્ટિ મળી કો’કની જોડે, તો તરત ખસેડી નાખવી પડે. નહીં તો એ છોડવો આવડો અમથો થાય કે તરત એમાંથી પાછાં બીજ પડે. એટલે એ છોડવો તો ઊગતાં જ કાઢી નાખવો પડે. આપણને ખબર પડે કે આ ગુલાબનો છોડ ન હોય; આ બીજો છે. એટલે તરત ઉખેડીને ફેંકી દેવું. જે સંગમાં આપણે ફસાઈએ એવું હોય એ સંગથી બહુ જ છેટા રહેવું, નહીં તો એક ફેરો ફસાયા કે ફરી ફસાય ફસાય જ થયા કરે, માટે ત્યાંથી ભાગવું. લપસવાની જગ્યા હોય ત્યાંથી ભાગવું, તો લપસી ના પડાય. સત્સંગમાં તો બીજી ‘ફાઈલો’ ભેગી નહીં થવાની ને ? એક જાતના વિચારવાળા બધા ભેગા થાય ને ? બે પાંદડે જ નિંદી નાખવુંમનમાં વિષયનો વિચાર આવ્યો કે તરત તેને ઉખેડી નાંખવો જોઈએ અને કંઈક આકર્ષણ થયું કે એનું તરત જ પ્રતિક્રમણ કરવું જોઈએ. આ બે શબ્દ પકડે તેને બ્રહ્મચર્ય કાયમ રહે. આપણને એમ લાગે કે આ વિષય-વિકારનું આકર્ષણ થયું કે તરત પ્રતિક્રમણ કરવું જોઈએ અને કોઈ વિષય-વિકારનો મહીંથી વિચાર ઊગ્યો તો એ છોડવો તરત જ ઉખેડીને બહાર ફેંકી દેવો. બસ, આ બે કરે, એને પછી વાંધો ના આવે. પ્રશ્નકર્તા : પણ જાગૃતિ અને આ બે એકી સાથે રહે ? દાદાશ્રી : ના, જાગૃતિ હોય તો જ આ થાય, નહીં તો થાય નહીં ને ! આ છોડવો ઊગતો હોય તો, ત્યાંથી જ સમજી જવું કે આ છોડવો કૂંચનો છે. એટલે એને ઊગતાંની સાથે જ ઉખેડીને ફેંકી દેવું. નહીં તો ચોંટશે, તો એ કૂંચથી આખા શરીરે લ્હાય બળશે. માટે ફરી ઊગે નહીં એવી રીતે ફેંકી દેજો. એવું આ મિશ્રચેતનના વિચાર આવે તો ઊગવા જ (પા. ૫૪)ના દેશો. એને તો નિંદી જ નાખજો, તો એક દહાડો આનાથી ઉકેલ આવશે. નહીં તો એક જો ઊગ્યું તો કેટલાંય અવતાર બગાડી નાખે. ભગવાને વિષયના છોડવાને જ નિંદી નાખવાનું કહ્યું છે. બીજા છોડવા તો છો ને ઊગે, એ જોખમી નથી. પણ મિશ્રચેતન જોખમી છે. અનાદિકાળનો અભ્યાસ એટલે મન પાછું આનું આ જ ચિંતવન કરે. ત્યારે પાછો વિષયનો છોડવો ઊગે. આ મગને પાણી નાખે તો ઊગે, તે નીચે મૂળિયું નાખે. એટલે ત્યાંથી આપણે જાણીએ કે આ તો છોડવો થશે. એટલે આવું આમાં વિચાર આવ્યો એટલે ત્યાંથી જ એને ઉખેડીને ફેંકી દેવો. આ વિષય એકલો જ એવો છે કે આવડો સહેજ છોડવો મોટો થયા પછી જતો નથી. એટલે એને મૂળમાંથી જ ઉખેડીને ખેંચી કાઢવું. હવે જો આવી જાગૃતિ રહે તો માણસ આરપાર જઈ શકે, નહીં તો આ તો બેભાનપણું છે. આ તો ચાદરે વીંટેલું માંસ છે. આખી દુનિયાનો બધો કચરો આ શરીરમાં છે, છતાંય આ ચાદરને લીધે કેવો મોહ થાય છે ! એ મોહ શાથી ઉત્પન્ન થાય છે ? અજાગૃતિથી ! પછી પાછળથી પસ્તાવુંય પડે છે ને ? પસ્તાવો એટલે શું ? પશ્ચાતાપ. પશ્ચાતાપ એટલે મહીં ડંખ્યા કરે. એના કરતાં જાગૃતિ હોય તો કેવું સરસ ! જાગૃતિ જો ના રહેતી હોય તો પછી શાદી કર. આપણને તેનો વાંધો નથી. શાદી એટલે નિકાલી બાબત. નહીં તો જાગૃતિ રાખવી પડે. અત્યાર સુધી નરી અજાગૃતિ જ હતી. આ તો તેમાંથી આ જાગૃતિ કરવાની બાકી રહી. એકસો ને આઠ દીવા હોય, તે બાર દીવા તો સળગાવ્યા. પછી તેરમો, ચૌદમો એમ સળગાવ્યે જવાના. પ્રશ્નકર્તા : જાગૃતિપૂર્વક ભાનમાં હોવા છતાં ખેંચાઈ ગયા, આપણું ત્યાં આગળ કશું ચાલ્યું નહીં, તો શું કરવું ? એનો કેટલો દોષ બેસે ? દાદાશ્રી : દોષ તો ખરો જ ને ! વૈદે કહ્યું હોય કે મરચું ના ખાશો ને આપણે મરચું ખઈએ, તો શું થાય ? પણ એવાં તો કંઈ બહુ ફૂલિશ નીકળે નહીં, થોડાંક જ નીકળે અને એણે મરચું ખાધું, તે પછી એનો રોગ વધે. (પા. ૫૫)પ્રશ્નકર્તા : પણ હવે એણે કરવું શું ? ઉપાય તો હોવો જોઈએને ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાનું. બીજું શું ? પ્રશ્નકર્તા : પણ જ્ઞાનીને કહેવાનું નહીં ? જેણે આજ્ઞા આપી હોય, એને કહેવું તો પડશે ને ? દાદાશ્રી : હા, કહે તો પણ પ્રતિક્રમણ કરવાનું. બાકી પેલો મરચું ખાય, એમાં જ્ઞાની કંઈ ઓછા ઝેર ખાય ? કોઈક દહાડો મહીં ખરાબ વિચાર ઊગ્યા અને એને કાઢી નાખતાં વાર લાગી તો જરા મોટું પ્રતિક્રમણ કરવું પડે. નહીં તો વિચાર ઊગ્યો કે તરત કાઢી નાખવાનું, ઉખેડીને તરત ફેંકી દેવાનું. બાકી આ વિષય-વિકાર એવો છે કે એક સેકન્ડેય જરાય રહેવા ના દેવાય. નહીં તો ઝાડ થતાં વાર ના લાગે. એટલે ઉગ્યો કે તરત ઉખેડીને ફેંકી દેવાનો. જેમ આપણે ઘઉં વાવવાના હોય ને તમાકુનો છોડવો ઊગી નીકળે તો એને તરત કાઢી નાખીએ. એવું આમાંય વિષયને ઉખેડી નાખવાનો. પ્રશ્નકર્તા : વિષયનું અજ્ઞાન એ શું છે ? દાદાશ્રી : બગીચામાં શું રોપ્યું છે, એ ઊગે ત્યારે ખબર પડે કે આ તો ધાણા ઊગ્યા, આ તો મેથી ઊગી, એના પાંદડાં પરથી ખબર પડે ને ? તેવું વિષયના બીજનું છે, તેને ઊગે ત્યાંથી જ ખેંચી નાખીએ. જે પડેલાં બીજ ઉખેડી નાખે છે, એ ઉખેડી નાખ્યા પછી જે વિષયો છે, એ વિષય જ નથી. ઝાડ છે તો ભલે રહ્યું, વરસાદ પડે તો ભલે પડે. એમ માનોને, અહીં બોરડીનું ઝાડ હોય, તે એનું બીજ તો ફર્લાંગ છેટે ઊગે. પવન છે તે બીજને ગમે ત્યાં ખેંચી જાય એટલે આપણે બોરડી નીચે જ નહીં, પણ આજુબાજુ બધે ઊગેલા બીજને ઉખેડી નાખવાનાં. બીજ કોને કહેવાય ? અન્ય સંયોગ ભેગા થાય ત્યારે બીજ પડે તો એ ઊગે, તો ઊગતાંની સાથે એને ઉખેડી નાખવું. બે પ્રકારના વિષય, એક ચાર્જ ને બીજો ડિસ્ચાર્જ. ચાર્જના બીજને ધોઈ નાખવાનું. ખરી રીતે તો વિચાર જ ના આવવો જોઈએ. જ્ઞાની (પા. ૫૬)પુરુષને લક્ષ્મીના, વિષયના વિચાર જ ના આવે, એટલે બીજ પડવાની ને ઊગવાની વાત જ ક્યાં રહી ?! જો તમને વિચાર આવે તો તમે એને ઉખેડી નાખજો, તો પછી વિચારો ના ઊગે. એક એકને આમ ઉખેડી નાખવાનાં. આ તો અક્રમ જ્ઞાન છે, તે અજ્ઞાન ગયું છે, પણ પાછલો માલ રહ્યો છે તેથી ચેતવણી આપવી પડે. આ બીજનો સ્વભાવ કેવો છે કે પડ્યા જ કરે. આંખો તો જાત જાતનું જુએ એટલે મહીં બીજ પડે, તો એને પછી ઉખેડી નાખવાનું. આ હોટલ દેખે તો ખાવાની ઇચ્છા થાયને ? એના જેવું છે. આપણે તો મોક્ષે જવું છે માટે ચેતવાનું છે. આંખથી જોવાથી કંઈ પણ ખેંચાણ થાય એ ભયંકર રોગ છે એમ માનો. જ્યાં સુધી બીજ રૂપે છે ત્યાં સુધી ઉપાય છે, પછી કશું ના વળે. ખેંચાય ચિત્ત રસ્તે જતાં...પ્રશ્નકર્તા : અહીં ઘેર બેઠા હોઈએ તો ચિત્ત આઘુંપાછું થતું નથી, પણ રસ્તા પર સહેજ નીકળ્યા તો સ્ત્રી વગર રસ્તા હોતા નથી અને આ બાજુ વિષયની ગાંઠ ફૂટ્યા વગર રહેતી નથી. દાદાશ્રી : અને તમારે બહાર ફર્યા વગર ચાલે એવું નથી! બહાર કંઈક લેવા જવું પડે, નોકરી-ધંધે જવું પડે અને વિષય ઊભો થયા વગર રહે નહીં અને એટલે તેના પ્રતિક્રમણ કર્યા વગર ચાલે નહીં. પ્રતિક્રમણ કરીએ તો ઉકેલ આવે, નહીં તો પેલું આકર્ષણ ઊભું રહેલું તો ચોટ્યું જ પછી. બહાર જવું-આવવું પડે, તે ચાલે એવું નથી, જગતમાં ઘેર બેસી રહે તો ચાલે નહીં. ‘વ્યવસ્થિત’ પ્રમાણે જવું પડે અને પેલા ચોંટ્યા વગર ના રહે. જાગૃતિ તો હોય, તોય ગયા અવતારના બધા મેળ છે ને, તે આકર્ષણ થાય ને પાછું ભાંજગડ થયા વગર રહે નહીં. એટલે ઘેર આવીને પછી પ્રતિક્રમણ કરે તો ઊખડી જાય. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ બરોબર થતાં નથી. દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાનો નિશ્ચય કરીએ તો થાય. પ્રતિક્રમણ તો અવશ્ય કરવાં જ જોઈએ. પ્રતિક્રમણ કર્યા પછી મન ચોખ્ખું થઈ જાય. (પા. ૫૭)આ લપસણો કાળ કહેવાય છે. સત્યુગમાંથી દ્વાપર, ત્રેતા એમ લપસતો લપસતો આ છેલ્લો કાળ આવી રહ્યો છે, એમાં બ્રહ્મચર્યનું મહત્ત્વ ઘટી ગયું છે, એટલે જ આ દશા બેઠી છે. બ્રહ્મચર્યનું જો મહત્ત્વ રહ્યું હોત તો આ દશા જ ના બેસત ! સંસારી સ્થાન માટે વાંધો નથી, પણ બ્રહ્મચર્યનું મહત્ત્વ જ લોકોએ ઉડાડી મૂક્યું. એટલે પછી પોતાની જાગૃતિ બધી મંદ પડી જાય. આપણે આ જ્ઞાન આપ્યું તોય કેટલાંકને જાગૃતિ જોઈએ એવી નથી રહેતી, નહીં તો આપણું જ્ઞાન આપ્યા પછી તો જાગૃતિ કેવી રહે ? ભગવાન જેવી જાગૃતિ રહે. તને જાગૃતિ બહુ રહે છે કે મંદ પડી જાય છે ? પ્રશ્નકર્તા : લિમિટની બહુ ખબર નથી પડતી. દાદાશ્રી : બહુ જાગૃતિ હોય તો આપણને ઠોકરો ના વાગે ને ? ભૂલ થાય છે તારે ? ભૂલ થઈ ગયા પછી ખબર પડે છે ને? પ્રશ્નકર્તા : હા, પછી ખબર પડે. દાદાશ્રી : એટલે જો જાગૃતિ બહુ હોય તો, ભૂલ થઈ ગયા પછી ખબર પડે એવું ના થાય. ભૂલ થઈ હોય તે પહેલેથી જ ખબર પડી જાય અને એ વસ્તુ થાય પણ ખરી પાછી, પણ પોતાને પહેલાં ખબર પડે ને પછી થાય. એટલે વસ્તુ કંઈ અટકતી નથી, પણ જાગૃતિ બહુ હોય તો પહેલેથી ખબર પડી જાય. પ્રશ્નકર્તા : જો આપણે નિરંતર બ્રહ્મચર્યમાં રહેવું હોય તો જાગૃિત ભારે જોઈએને ? દાદાશ્રી : જાગૃતિ એ જ આત્મા છે અને પોતે જો ઊંઘી ગયો હોય તો બીજા કામ થઈ જાય. માટે જાગૃતિમાં કશુંય કામ અવળું ના થાય અને બીજી ડખલ નથી ને બહુ, પણ ડખલો અણસમજણથી ઊભી થયેલી તો માર ખાવો પડે છે ને ? પ્રશ્નકર્તા : પોતે વિષયમાં સહમત ના થાય તો બચી જવાય, એવી તે દહાડે વાત નીકળી હતી. એટલે એમાં પોતાની સ્થિરતા કેવી રીતે આવી શકે ? (પા. ૫૮)દાદાશ્રી : હા. પણ સહમત એટલે, આ નિશ્ચયમાં ક્યારેય પણ છૂટે નહીં. એવી સહમતતા હોય, તો પછી કશું ના થાય, પણ એ છૂટી ગયા વગર રહે નહીં ને ! કારણ કે કર્મના ઉદયે જ્યારે એવું બનવાનું હોય છે ત્યારે છૂટી જઈને બની જાય. એટલે તારે શું કરવાનું ? કે તારે તો ફક્ત જાગૃતિ જ રાખવાની કે, ‘આમાં નહીં જ !’ સહમતતા છૂટે નહીં એને માટે ‘કેરફૂલ’ રહેવું પડે, છતાં પછી પડી ગયા તો એનો વાંધો નહીં. આપણે ગાડીમાંથી પડી જવું નથી, છતાં પડી ગયા તો એને આપણે ‘વ્યવસ્થિત’ કહીએ છીએ ને ? પણ જાણીજોઈને કોઈ પડે ? દ્રષ્ટિ માંડીએ, તો દ્રષ્ટિ બગડેનેગમે તે એક બાજુ હૃદય તો લાગેલું જ રહે છે, કાં તો આ બાજુ લાગેલું રહે કાં તો આ બાજુ રહે. અહીં છૂટી જાય તો પેણે લાગી જાય, એના માટે આપણે બેસી ના રહેવું પડે. માટે બહુ ચેતવા જેવું છે. આપણે અહીંથી છોડીએ ત્યારે જ પેણે લાગેને ? અને ત્યાં ચોંટવાનું થાય, તે પહેલાં ચેતી જવું. દ્રષ્ટિ તો માંડવી જ નહીં, નીચું જ જોઈને ચાલવું. તું કોઈના સામે દ્રષ્ટિ માંડતો નથી ને ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો તો બહુ ડાહ્યો, તું જીતી ગયો. દ્રષ્ટિ તો ક્યારેય ના માંડવી, બહુ બૂમાબૂમ કરે તોય. નહીં તો અહીં આ સત્સંગમાં દિલ લાગેલું હશે તે ઊડી જશે. દુષમકાળમાં આંખને સંભાળવી. આ દુષમકાળ છે, માટે ચેતો, હજુ ચેતો. દ્રષ્ટિ તો બિલકુલ શુદ્ધ રહેવી જોઈએ. પહેલાંના કાળમાં તો કડક માણસો, આંખો ફોડી નાખતા હતા. આપણે આંખને ફોડી નહીં નાખવાની એ તો મૂર્ખાઈ છે; પણ આપણે દ્રષ્ટિ ફેરવી નાખવાની છે, તેમ છતાં જોવાઈ જાય તો પ્રતિક્રમણ કરી લેવું. આ પ્રતિક્રમણ તો એક મિનિટ ચૂકશો નહીં. ખાધે-પીધે વાંકું થયું હશે તો ચાલશે, પણ આ દ્રષ્ટિ જ કેમ કરાય ? સંસારમાં મોટામાં મોટો રોગ જ આ છે, આને લઈને સંસાર ઊભો રહ્યો છે. વિષયના મૂળિયા ઉપર સંસાર ઊભો રહ્યો છે, વિષય જ મૂળ છે. (પા. ૫૯)વિષય તો દરેકને ના જ ગમે, પણ આ પહેલી વખતના હિસાબ થઈ ગયા છે ને આંખ માંડી ત્યારથી હિસાબ ચાલુ થઈ ગયો. તે પછી ના છોડે. આ બધી સ્ત્રીઓ કંઈ આપણને આકર્ષતી નથી, જે આકર્ષે છે તે આપણો પાછલો હિસાબ છે; માટે ત્યાં ઉખેડીને ફેંકી દો, ચોખ્ખું કરી નાખો. આપણા જ્ઞાન પછી કશો વાંધો નથી આવતો, માત્ર એક વિષય માટે અમે ચેતવીએ છીએ. દ્રષ્ટિ માંડવી જ ગુનો છે અને એ સમજ્યા પછી જોખમદારી ખૂબ વધી જાય છે, માટે કોઈની જોડે દ્રષ્ટિ જ ના માંડવી. દ્રષ્ટિ માંડવાથી જ બધું બગડે છે. દ્રષ્ટિ બગડે છે, તેય એકદમ નથી બગડતી, પહેલાંનો હિસાબ હોય તો જ આકર્ષણ થાય. મૂળ દ્રષ્ટિ ના બગડે, બગડેલી જ દ્રષ્ટિ બગડે. પ્રતિક્રમણ પછી, દંડનો ઉપાયગયા અવતારે જે ભૂલ થયેલી, તેનાથી આ અવતારે દ્રષ્ટિ પડી જાય. આપણે દ્રષ્ટિ ના પાડવી હોય તોય દ્રષ્ટિ પડી જાય. દ્રષ્ટિ પડ્યા પછી આપણે ના ખેંચાવા દેવું હોય તોય પાછું મન ખેંચાય. એટલે પહેલાંનો હિસાબ છે માટે આવું બધું થાય છે, ત્યાં આપણે પ્રતિક્રમણ કરીને છૂટીએ, તોય પાછું ફરી દ્રષ્ટિ પડે તો ફરી પ્રતિક્રમણ કરીએ, એવું સો-સો વખત પ્રતિક્રમણ કરે ત્યારે છૂટાય. કેટલાંક પાંચ પ્રતિક્રમણથી છૂટે. કેટલાંક એક પ્રતિક્રમણથી છૂટે. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કર્યા છતાંય ત્યાં ચાલ્યું જાય, તો એ નબળાઈ જ ને ? કે પછી દાનત ચોર થઈ જાય છે ? કે મહીં, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર પોતાને છેતરવા લાગે છે ? દાદાશ્રી : પ્રતિક્રમણ કર્યા છતાં કાર્ય થઈ જાય, તો તો પછી એ ‘વ્યવસ્થિત’ છે. એ ‘વ્યવસ્થિત’ના હાથમાં આવી ગયું કહેવાય, એ વ્યવસ્થિતની ભૂલ છે. છતાં આ વધારે પડતું થાય ત્યારે એના માટે ખાસ ઉપવાસ ને એવું બધું દંડ લેવો જોઈએ, આને વીંધ્યું કહેવાય. ગોળી મારીએ ને એક્ઝેક્ટ જગ્યાએ વાગે એવું આ વીંધ્યું કહેવાય. એનાથી કર્મ ના બંધાય. એટલે આ ફરી ભૂલ થાય ત્યાં આગળ તો આપણે પ્રતિક્રમણ કરવું (પા. ૬૦)જોઈએ, જોડે જોડે બીજી કંઈક શિક્ષા લેવી જોઈએ. આપણા મનને ભાવતું હોય તે દહાડે ઓછું કરી નાખીએ, એવી કંઈક શિક્ષા કરવી જોઈએ. જોવું, સામાન્ય ભાવેસ્ત્રી સંબંધી તો આંખ પહેલી બગડે. આંખ બગડે પછી આગળ વધે છે. જેની આંખ ના બગડી તેને કશું જ ના થાય. હવે તારે જો સેફસાઈડ થવું હોય તો આંખ બગડવા ના દેવી અને આંખ બગડી હોય તો પ્રતિક્રમણ કરવું. પ્રશ્નકર્તા : એ વિષય-વિકારી દ્રષ્ટિના પરિણામ કેવા ? દાદાશ્રી : અધોગતિ. આ તો આખો દહાડો ‘ચા’ સાંભરે. ‘ચા’ દેખે ને દ્રષ્ટિ બગડે, તો તે ચા પીધા વગર રહે કે પછી ? દ્રષ્ટિ ના બગડે એ મોટામાં મોટો ગુણ કહેવાય. ભગવાને કહેલું કે જગતમાં બધી ચીજો ખાજો, પણ મનુષ્ય જાતિની આંખને ના જોશો અને એના મોઢાને ધારી ધારીને ના જોશો. જુઓ તો સામાન્ય ભાવે જોજો, વિષય ભાવે જોશો નહીં. આ કેરીઓ જોઈએ અને બાજુએ મૂકીએ તો પડી રહે, એને એક જ બાજુ છે; પણ આ જીવતી જીવાત તો ચોંટી પડશે, પછી બાજુએ મૂકશો તો દાવો માંડશે. આ લગનમાં દરવાજે ઊભા હોય ને દરેક માણસ આવે, એને ધારી ધારીને જુએ છે ? ના. એ તો એક આવે ને એક જાય એમ સામાન્ય ભાવે જુએ, એવું જોવાનું છે. અમારે જ્ઞાન થતાં પહેલાં નક્કી જ રાખેલું કે સામાન્ય ભાવે જોવું. આ બધા લોકો ના હોત તો સારું ને ? આપણા ભાવ જ બગડત નહીં ને ?! પ્રશ્નકર્તા : ના, એ તો આપણી મહીં જ એવા ભાવ છે, એટલે સામાં નિમિત્ત ભેગાં થયાં છે ને ? એટલે આપણા ભાવ જ આપણે તોડી નાખવા જોઈએ, તો નિમિત્ત વળગે નહીં ને ! દાદાશ્રી : ખરું કહ્યું. એટલે જ અમે કહીએ છીએ કે આપણે ભાવનિદ્રા ટાળો. સર્વ પ્રકારના ભાવ આવે એવા આ લોકો છે, તેમાં (પા. ૬૧)ભાવનિદ્રા ના આવવી જોઈએ, દેહનિદ્રા આવે તો ચાલશે. પ્રશ્નકર્તા : પણ ભાવનિદ્રા જ આવે છે ને ? દાદાશ્રી : એવું કેમ ચાલે ? આ ટ્રેન સામેથી આવતી હોય તો ભાવનિદ્રા નથી રાખતો. ટ્રેન તો એક અવતારનું મરણ લાવે તેવું છે, પણ આ તો અનંત અવતારનું જોખમ છે. ચિત્ર-વિચિત્ર ભાવ ઉત્પન્ન થાય એવું આ જગત છે, એમાં તારે તારી મેળે સમજી લેવાનું છે. ભાવનિદ્રા આવે છે કે નહીં ? ભાવનિદ્રા આવે તો જગત તને ચોંટશે. હવે ભાવનિદ્રા આવે, તો ત્યાં એ જ દુકાનના શુદ્ધાત્મા પાસે બ્રહ્મચર્ય માટેની શક્તિઓ માંગવી કે, ‘હે શુદ્ધાત્મા ભગવાન, મને આખા જગત જોડે બ્રહ્મચર્ય પાળવાની શક્તિઓ આપો.’ અમારી પાસે જો શક્તિઓ માંગે તો ઉત્તમ જ છે, પણ પેલું ડિરેક્ટ, જે દુકાન જોડે વ્યવહાર થયો છે ત્યાં માંગી લેવું એ સારામાં સારું. સુંદર ફૂલો હોય ને ત્યાં જોવાનું મન થાય છેને ? તેમ આ સુંદર રૂપાળા મનુષ્યોને જોવાનું મન થઈ જાય છે ને ત્યાં જ ઝાપટ વાગી જાય છે. આ ફૂલાં સોડજો, ખાજો-પીજો; પણ ‘આ’ એક જ જગ્યાએ જોવાની જરૂર નથી, ક્યાંય આંખ મિલાવવી નહીં. પ્રશ્નકર્તા : ના જોવું હોય તોય સુંદર સ્ત્રી દેખાઈ જાય, તો ત્યાં શું કરવું ? દાદાશ્રી : તે ઘડી આંખ ના મિલાવવી. પ્રશ્નકર્તા : આંખ મિલાઈ જાય તો શું કરવું ? દાદાશ્રી : આપણી પાસે પ્રતિક્રમણનું સાધન છે, તેનાથી ધોઈ નાખવું. આંખ મળે તો તો પ્રતિક્રમણ તરત જ કરી નાખવું જોઈએ. તેથી તો કહ્યું છે ને કે ચિતરામણવાળી સ્ત્રીનો ફોટો કે મૂર્તિ ના મૂકશો. એ મીઠાશનું પૃથક્કરણ તો કરી જોઈએહવે ક્યાંય મીઠું લાગે છે કે ? (પા. ૬૨)પ્રશ્નકર્તા : મીઠું તો લાગી જાય છે, પણ એ જોખમદારી છે એવું સમજાય. દાદાશ્રી : જ્યાં સુધી મીઠું લાગે છે ને, જોખમદારી ભલે લાગતી હોય, પણ મીઠું લાગે ત્યાંથી જોખમદારી કો’ક દહાડો ભૂલાડી દે. કર્મના ઉદય એવા એવા આવે કે જોખમદારી ભૂલાવી દે. અને આ કયા હિસાબે મીઠું લાગે છે, એ જ મને સમજાતું નથી. આમાં કયો ભાગ મીઠો છે ? પ્રશ્નકર્તા : એ ભ્રાંતિથી મીઠું લાગે છે ? દાદાશ્રી : ભ્રાંતિથી મીઠું લાગતું હોય તોય સારું, આ તો ભ્રાંતિય ન હોય. આને કોણ મીઠું કહે ? આ મુંબઈમાં પાણી એટલું બધું ઓછું થઈ જાય કે નહાવાનો તાલ જ ના પડે, તો આ લોકોની શી દશા થાય ? ઘરમાં એક રૂમમાં બધાથી બેસાય નહીં, એવાં તો ગંધાઈ ઊઠે ! આ તો રોજ નહાય છે, તોય ગંધાય છે ને ? અને જો ના નહાય તો માથું ફાટી જાય એવા ગંધાય. આ નહાય છે તોય બપોરે બે વાગે કપડું ઘસીને જો પાણીમાં નીચોવીએને, તો પાણી ખારું થઈ જાય. છતાં આ દેહ કિંમતી કેમ ગણ્યો છે ? કારણ કે ભગવાન મહીં પ્રગટ થયા છે, વ્યક્ત થયા છે. એટલા માટે બધા દેહ કરતાં આને કિંમતી ગણ્યું; ત્યારે લોકો એને કિંમતી બીજી રીતે લઈ ગયા. પ્રશ્નકર્તા : વિષયમાં સૌથી વધારે મીઠાશ માનેલી છે, તો કયા આધારે માનેલી છે ? દાદાશ્રી : એ જે મીઠાશ એને લાગી ગઈ અને બીજી જગ્યાએ મીઠાશ જોઈ નથી, એટલે એને વિષયમાં મીઠાશ બહુ લાગે છે. જોવા જાય તો વધારેમાં વધારે ગંદવાડો ત્યાં જ છે, પણ મીઠાશને લીધે એને બેભાનપણું થઈ જાય છે. એટલે એને ખબર નથી પડતી. જો આ વિષય એ ગંદવાડો સમજાય, તો એની મીઠાશ બધી ઊડી જાય. ગલગલિયાંથી જ જગત ફસાયેલું છે. ગલગલિયાં થાય કે તરત જ જ્ઞાન મૂકી દેવાનું, એટલે તેનાથી બધું જુદે જુદું દેખાય ને તેનાથી છૂટાય. (પા. ૬૩)છતાંય આકર્ષણ કેમ ?પ્રશ્નકર્તા : અમુક એક જ જગ્યાએ ચિત્ત વધુ ખેંચાય છે. દાદાશ્રી : એ જગ્યા ખોદી નાખવી, ખોદીને કાઢી નાખવી. એ જગ્યા ક્યાં છે ? પ્રશ્નકર્તા : એક જગ્યા એટલે અમુક અવયવો તરફ જ વધુ દ્રષ્ટિ જાય. દાદાશ્રી : જેને બહુ જતું રહેતું હોય તેણે પૈણવું. બધે દ્રષ્ટિ બગાડવા કરતાં એક કૂવામાં પડવું સારું, પછી પચાસ વર્ષેય કોઈ નહીં મળે. ચોરી કરવાની ગમે છે ? જૂઠું બોલવાનું, મરવાનું ગમે ? ત્યારે પરિગ્રહ ગમે ? તો બસ વિષયમાં એવું મહીં શું પડ્યું છે કે ગમે છે ? પ્રશ્નકર્તા : બિલકુલ ગમતું જ નથી, તોય આકર્ષણ થઈ જાય છે. એનો બહુ ખેદ રહ્યા કરે છે. દાદાશ્રી : એ ખેદ રહે તો પેલું જાય. એક આત્મા જ જોઈએ. તો પછી વિષય શેનો થાય ? બીજું જોઈએ, તો વિષય થાય ને ? વિષયનું તને પૃથક્કરણ કરતાં આવડે છે ? પ્રશ્નકર્તા : આપ જણાવો. દાદાશ્રી : પૃથક્કરણ એટલે શું કે વિષય એ આંખે ગમે એવા હોય છે ? કાને સાંભળે તો ગમે ? અને જીભથી ચાટે તો મીઠું લાગે ? એકુંય ઇન્દ્રિયને ગમતું નથી. આ નાકને તો ખરેખરું ગમે ને ? અરે, બહુ સુગંધ આવે ને ? અત્તર ચોપડેલું હોય ને ? એટલે આવું પૃથક્કરણ કરે, ત્યારે ખબર પડે. આખું નર્ક જ ત્યાં પડ્યું છે, પણ આવું પૃથક્કરણ નહીં હોવાથી લોક મૂંઝાયું છે. ત્યાં જ મોહ થાય છે, એય અજાયબી જ છે ને ! પ્રશ્નકર્તા : તો એ આકર્ષણ શેનું રહે છે ? દાદાશ્રી : અણસમજણનું. જેમ આ અણસમજણથી તાર જોઈન્ટ (પા. ૬૪)રહી ગયો હોય તો તેનું આકર્ષણ થયા કરે. પણ હવે સમજણ આવી કે આ તો આવું છે. પહેલાં તો આપણે સાચું જાણતા નહોતા ને આવું પૃથક્કરણ કરેલું જ નહીં ને ! લોકોએ માન્યું તેવું આપણે સાચું માન્યું કે આ જ ખરો રસ્તો છે, પણ હવે જાણ્યું ત્યારથી આપણે સમજી ગયા કે આ આમાં તો પોલું ખાતું છે. એમાં તો ઓહોહોહો... એટલાં બધાં જોખમ છે કે એના લીધે તો આખો સંસાર ઊભો રહ્યો છે અને આખો દહાડો માર પણ એને લીધે જ પડે છે. એમાંય જો ઇન્દ્રિયોને ગમે એવું હોય તો ઠીક, પણ આ તો એકુંય ઇન્દ્રિયને ગમતું જ નથી. પ્રશ્નકર્તા : ચિત્ત હજી ખેંચાયા કરે છે, દ્રષ્ટિ બગડે છે. દાદાશ્રી : આપણી બેન હોય, ત્યાં શી રીતે જોવાય છે ? પ્રશ્નકર્તા : ત્યાં તો કશું ના થાય. દાદાશ્રી : કેમ, એ સ્ત્રી જ છે ને ? ત્યાં શાથી વિકાર ના થાય ? એની પર કેમ વિચાર નહીં બગડતા હોય ? બેન એ સ્ત્રી નથી ? પ્રશ્નકર્તા : પરમાણુની અસર હશે તેથી ? દાદાશ્રી : આ તો આપણે જ્યાં ભાવ કર્યો હોય ત્યાં જ આપણી દ્રષ્ટિ બગડે. બેન ઉપર કોઈ દહાડોય ભાવ કર્યો નથી, તેથી દ્રષ્ટિ બગડેય નહીં અને કેટલાંક લોકોએ બેન ઉપરેય ભાવ કર્યો હોય તો ત્યાંય દ્રષ્ટિ બગડે !!! પ્રશ્નકર્તા : છતાં, આમ વ્યવહારમાં સ્ત્રીના સંજોગો તો ભેગા થાય છે, તે આમ દ્રષ્ટિ પડી જ જાય છે. દાદાશ્રી : દ્રષ્ટિ પડી જાય, એ તો સ્વાભાવિક છે. એમાં પૂર્વભવનો દોષ છે. પણ હવે આપણે શું કરવું ? દ્રષ્ટિ પડી જવી, એમાં તો કંઈ ચાલે એવું નથી. આપણે ગમે એટલું પકડી રાખો તોય આંખનો સ્વભાવ છે જોવાનો, એ જોઈ લીધા વગર રહે જ નહીં. હિસાબ છે, એટલે જોયા વગર નહીં રહે. (પા. ૬૫)પ્રશ્નકર્તા : આવું દહાડામાં બે-ચાર વખત થઈ જાય. બે-ચાર વખત તો એમ લાગે કે આ કંઈ બરોબર રહેતું નથી. દાદાશ્રી : એ ને આપણે બે જુદા જ છીએ ને ? અને એ તો ફરે નહીં. અફરને આપણે ફેરવવા જઈએ તો શું થાય ? પણ આ પ્રતિક્રમણથી દહાડે દહાડે ફેરફાર થતો જાય ને ? પ્રશ્નકર્તા : હા. એ બાજુની આમ સ્થિરતા વધે છે. રાજા જીત્યે, જીતાયું આખું રાજકૃપાળુદેવે તો શું કહ્યું છે કે, ‘‘નીરખીને નવયૌવના, લેશ ન વિષય નિદાન, ગણે કાષ્ટની પૂતળી, તે ભગવાન સમાન.’’ - શ્રીમદ્ રાજચંદ્ર આપણે અક્રમમાર્ગમાં સ્ત્રીને કાષ્ટની પૂતળી નહીં ગણવાની. આપણે આત્મા જોવો. આ તો ક્રમિકમાર્ગવાળા કાષ્ટની પૂતળી કહે, પણ એ ગોઠવણી ક્યાં સુધી રહે ? જરા ફરી વિચાર આવે, તે ઘડીએ પાછું ઊડી જાય. પણ આપણે શુદ્ધાત્મા જોઈએ તો ? એટલે નવયૌવનાને દેખી અને મહીં ચિત્ત ઝલાયું હોય, ત્યાં આગળ શુદ્ધાત્માને જો જો કરીએ એટલે બધું જતું રહે, ચિત્ત પછી છૂટી જાય. વિષય જીતવા માટે શુદ્ધાત્માને જુએ તો ઉકેલ આવશે, નહીં તો ઉકેલ નહીં આવે. ‘‘આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ, એ ત્યાગી ત્યાગ્યું બધું, કેવળ શોક સ્વરૂપ.’’ - શ્રીમદ્ રાજચંદ્ર બધો શોક જ એનાથી ઊભો થયો છે. આ સ્ત્રીનો ત્યાગ થયો, એનાથી છૂટા થયા કે બધો ઉકેલ આવી ગયો. જે બધું નિરંતર શોકનું જ સ્વરૂપ છે. આખો દહાડો શોક, શોક ને શોક જ હોય. શોક જ મળતો હોય, એ પછી જતું રહે. નહીં તો જે વળગ્યું, તે પછી છૂટું જ ના થાય ને ? (પા. ૬૬)‘‘એક વિષયને જીતતાં, જીત્યો સહુ સંસાર, નૃપતિ જીતતાં જીતિયે, દળ, પૂર ને અધિકાર.’’ - શ્રીમદ્ રાજચંદ્ર એક રાજાને જીત્યો હોય તો દળ, પૂર ને અધિકાર બધું આપણને મળી જાય. એનું લશ્કર બધું જ મળી જાય. લશ્કર જીતવા જઉં તો રાજા ના જીતાય. તેમ આ રાજા (વિષયરૂપી) જીત્યો કે બધું જ આપણા તાબામાં આવ્યું. તેથી અમે મુક્ત રહીએ છીએને ! આ એક જ વિષય એવો છે કે જે જીતે તો રાજપાટ બધું હાથમાં આવી ગયું. અમને વિષયનો વિચાર સરખોય આવે નહીં. ટળે જ્ઞાન ને ધ્યાન...‘‘વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન અને ધ્યાન, લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન.’’ - શ્રીમદ્ રાજચંદ્ર એક જ જો વિષય કર્યો તો બધું બગડી જાય. ફરી અનંત અવતારની ખોટ આવે અને નર્કગતિનો અધિકારી થાય. ક્યો વિષય છે તે નર્કગતિ ના કરે ? જે લોકમાન્ય હોય. કોઈ પરણેલો માણસ, એની સ્ત્રીને લઈને જતો હોય તો લોકો વાંધો ઉઠાવે ? પ્રશ્નકર્તા : ના ઉઠાવે. દાદાશ્રી : અને પરણેલો ના હોય ને જતો હોય તો ? પ્રશ્નકર્તા : તો વાંધો ઉઠાવે. દાદાશ્રી : એ લોકમાન્ય ના કહેવાય. એ નર્કગતિનો અધિકારી થાય. બંનેને નર્કમાં જવું પડે, બંનેને નર્કમાં સાથે રહેવું પડે પાછું. પ્રશ્નકર્તા : ‘વિષયરૂપ અંકુરથી...’ એટલે ? દાદાશ્રી : અંકુર એટલે મહીં બીજ હોય ને એ વિચાર આવ્યો ને (પા. ૬૭)તેની મહીં તન્મયાકાર થાય એ અંકુર કહેવાય. એ અંકુર ઊભો થયો કે ગયો... તેથી આપણે નક્કી કરીએ છીએ ને કે વિચાર આવતાં પહેલાં ખેંચીને બહાર નાખી દેજો. એ અંકુર ફૂટ્યો કે પછી જ્ઞાન ને ધ્યાન બધું તૂટી જાય, ખલાસ થઈ જાય. પ્રશ્નકર્તા : આ અક્રમ વિજ્ઞાનમાં પણ એવું જ હોય ? દાદાશ્રી : જ્ઞાન ને ધ્યાન ટળી જાય. વિચાર આવેને તો જ્ઞાન ને ધ્યાન એકલું જ નહીં પણ આત્મા જ જતો રહે. ક્રમિકમાં તો જ્ઞાન, ધ્યાન જતું રહે ને અક્રમમાં તો આત્મા આપેલો છે, તે જતો રહે. એટલે અંકુર સુધી કરાય નહીં. લીંક ચાલુ, તેનું જોખમઆમાં છે કશું નહીં. જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો સમજાય કે વિષયમાં છે કશુંય નહીં. પ્રશ્નકર્તા : આપના જ્ઞાન પછી અમે આ અવતારમાં જ વિષય બીજથી એકદમ નિર્ગ્રંથ થઈ શકીએ ? દાદાશ્રી : બધું જ થઈ શકે. આવતા ભવ માટે બીજ ના પડે. આ જૂનાં બીજ હોય એ તમે ધોઈ નાખો, નવાં બીજ પડે નહીં. પ્રશ્નકર્તા : એટલે આવતા અવતારમાં વિષય માટે એકેય વિચાર નહીં આવે ? દાદાશ્રી : નહીં આવે. થોડું ઘણું કાચું રહી ગયું હોય તો પહેલાના એટલા થોડા વિચાર આવે પણ તે વિચાર બહુ અડે નહીં. જ્યાં હિસાબ નહીં, તેનું જોખમ નહીં. એ તો લીંક ચાલુ હોય તેનું જોખમ આવે. અમથા અમથા તો માણસને એની મા જોડેનોય વિષયનો વિચાર આવે. પણ તે લીંક નહીં એટલે ઊડી જાય પછી. વિષયનું સહેજ ધ્યાન કરે કે જ્ઞાન ભ્રષ્ટ થઈ જાય. ‘હતો ભ્રષ્ટ, તતો ભ્રષ્ટ’ થઈ જાય. જલેબીનું ધ્યાન કરે તો એવું ના થાય, આ યોનિ વિષયનું (પા. ૬૮)ધ્યાન કરે તો તેવું થઈ જાય. હાર જીત, વિષયની કે પોતાની ?અમે તો કેટલાંય અવતારથી ભાવ કરેલા. તે અમને તો વિષય માટે બહુ જ ચીઢ, તે એમ કરતાં કરતાં છૂટી ગયા. વિષય અમને મૂળથી જ ના ગમે. પણ શું કરવું ? કેમ છૂટવું ? પણ અમારી દ્રષ્ટિ બહુ ઊંડી, બહુ વિચારશીલ, આમ ગમે તેવાં કપડાં પહેરેલાં હોય તોય બધું આરપાર દેખાય નર્યું, એમનું એમ દ્રષ્ટિથી ચોગરદમનું બહુ દેખાય. એટલે રાગ ના થાય ને ? અમને બીજું શું થયું કે આત્મસુખ પ્રાપ્ત થયું. જલેબી ખાઈએ, ત્યાર પછી ચા મોળી લાગે. એમ આત્માનું સુખ જેને પ્રાપ્ત થઈ ગયું, તેને વિષયસુખ બધા મોળાં લાગે, તને મોળું નથી લાગતું ? પહેલાં જે લાગતું હતું, એવું હવે ના લાગે ને ? પ્રશ્નકર્તા : મોળું લાગે તો ખરું, પણ પાછો મોહ ઉત્પન્ન થઈ જાય. દાદાશ્રી : મોહ તો ઉત્પન્ન થઈ જાય. એ તો કર્મના ઉદય હોય. કર્મ બંધાયેલાં છે, તે મોહ ઉત્પન્ન કરાવે. પણ તમને આમ લાગે ખરું કે ખરું સુખ તો આત્મામાં છે ? પ્રશ્નકર્તા : હા, એ બરાબર લાગે. આ વિષયમાં સુખ નથી, એ તો પાકું સમજાઈ ગયું છે. દાદાશ્રી : બીજી કોઈ સ્ત્રીને જોઉં, તો તને વિચાર નથી થતો ને ? પ્રશ્નકર્તા : થાય કોઈ વાર. દાદાશ્રી : એવું થાય એટલે કે હજુ કચાશ છે. પ્રશ્નકર્તા : ખાલી આમ સાધારણ મોહ જ થાય, બીજું કંઈ નહીં. દાદાશ્રી : મોહ તો પછી ઢસડી જ જાય ને ! આ વિષયની બાબત તો જીતવી બહુ અઘરી વસ્તુ છે. આ આપણા જ્ઞાનથી જીતી શકે એમ છે. આ જ્ઞાન કાયમ સુખદાયી છે ને તો જીતાય. (પા. ૬૯)એ સેવનથી પાત્રતાપછી કૃપાળુદેવ તો શું કહે છે કે, ‘‘પાત્ર વિના વસ્તુ ના રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિ માન.’’ - શ્રીમદ્ રાજચંદ્ર બ્રહ્મચર્ય સેવે તો પાત્ર થાય, એમ કૃપાળુદેવ કહે છે. એમણે એમ નથી કહ્યું કે કેરીઓ ના ખાશો. મૂળ જ પકડ્યું છે આખું. જો સામો અજીવ હોત ને દાવો ના માંડે, તો બ્રહ્મચર્ય ના સેવત આપણે. પણ આ તો દાવો માંડે. ‘‘જે નવવાડ વિશુદ્ધિથી, ધરે શિયળ સુખદાય.’’ - શ્રીમદ્ રાજચંદ્ર પ્રશ્નકર્તા : નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યની વ્યાખ્યા શું ? દાદાશ્રી : નવવાડ એટલે એવું છે ને, મન-વચન-કાયાથી બ્રહ્મચર્ય પાળવાનું. મનથી જે વિચારતા હોય, તે બધું વિચારવા કરવાનું નહીં. આગળના વિષયો યાદ આવે તો, તે ઘડીએ બધું વિસારે પાડી દેવાનું. વાણીથી બોલવાનું નહીં, દેહથી બહુ દૂર રહેવાનું. નવવાડ કહી છે ને, કે સ્ત્રી બેઠી હોય ત્યાં આપણે બેસવું નહીં, તેને જોવી નહીં. કોઈ વિષય ભોગવતો હોય તો આપણે ખાનગી રીતે તિરાડમાંથી જોવું નહીં. જોઈએ તોય આપણું મન બગડી જાય. આપણે પાછળ જે સંસાર ભોગવ્યો હોય, તેને યાદ કરવો નહીં. યાદ કરીએ એટલે ફરી પાછાં વિચાર આવે, આમ આવી રીતે બધી નવવાડો છે. સ્ત્રી બેઠી હોય તે જગ્યાએ બેસશો નહીં એવું કહે. પછી એ જગ્યા ઉપર શું થાય ? રાગ બેસે કે દ્વેષ બેસે ? દ્વેષ થયા કરે. ઊલટું, રાગ-દ્વેષનાં કારખાનાં વધ્યાં. એટલે નવવાડને આપણે શું કરીએ ? એના કરતાં એક વાડ કરી નાખને તોય બહુ થઈ ગયું. નવવાડ કરવા જતાં પાછાં બીજા (પા. ૭૦)રાગ-દ્વેષ ઊભાં થશે. એના કરતાં સ્થૂળ બ્રહ્મચર્ય પાળોને અને મનમાં જે વિચાર આવે તો એનાં પ્રતિક્રમણ કરી ધોઈ નાખો. નવવાડ તો અત્યારે કોઈથી પણ થઈ શકે નહીં, એક-બે વાડ તો તૂટી ગયેલી હોય. તો તમે શી રીતે નવવાડ પૂરી કરી શકો ? આપણે તો અમે જે દેખાડ્યું છે એમાં રહો. આપણું કરે તો એમાં નવવાડ બધુંય આવી જાય છે. નવવાડનું કરવામાં અહંકારની જરૂર પડે. પણ આપણે ત્યાં તો કરવાનો માર્ગ જ નથી. પ્રશ્નકર્તા : તો પછી પ્રતિક્રમણ કરતી વખતે આપણે યાદ કરીએ છીએ, એટલે એનો નવો બંધ ના પડે ? દાદાશ્રી : હા, યાદ આવે, પણ પ્રતિક્રમણ એટલે આપણે તો એ શું કરવા માંગીએ છીએ ? કે વિષયને ઉડાડી દેવા માંગીએ છીએ અને પેલા તો લાલચને માટે યાદ કરે. બન્નેના ભાવમાં ફેર છે. પેલું યાદ આવે છે, તે લાલચથી યાદ આવે છે અને આ તો પ્રતિક્રમણથી યાદ આવે છે. પ્રતિક્રમણ કરવા પાછળ છોડવાનો ભાવ છે, જ્યારે પેલો લાલચનો ભાવ છે. એટલે બેઉના ભાવમાં ફેર છે. ‘‘ભવ તેનો લવ પછી રહે, તત્ત્વ વચન એ ભાઈ.’’ - શ્રીમદ્ રાજચંદ્ર ‘લવ પછી’ એટલે ભવ થોડા રહે પછી, ભવ ઓછા થઈ જાય. એ તત્ત્વ વચન છે, તત્ત્વનો સાર છે. ‘‘સુંદર શિયળ સુરતરુ, મન-વાણી ને દેહ, જે નર-નારી સેવશે, અનુપમ ફળ લે તેહ.’’ - શ્રીમદ્ રાજચંદ્ર શિયળ એટલે શીલવાન. મન-વચન-કાયાથી શીલવાનપણું રાખે, તે અનુપમ ફળ લે. પ્રશ્નકર્તા : શીલવાન કોને કહેવાય ? દાદાશ્રી : વિષયનો વિચાર ના આવે. જેને ક્રોધ-માન-માયા-લોભ (પા. ૭૧)ના થાય, એને શીલવાન કહેવાય. એકલો આ સ્ત્રીનો વિષય જ નહીં, પણ ક્રોધ-માન-માયા-લોભ પણ પોતાને વશ થયા હોય એટલે એ શીલવાન કહેવાય. જે ક્રોધ-માન-માયા-લોભ પોતાને દુઃખ દે, બીજાને દુઃખ ના દે, એ ‘કંટ્રોલેબલ’ કહેવાય. ત્યાંથી ભગવાને એને ‘શીલ’ કહ્યું. પ્રશ્નકર્તા : એટલે મન-વચન-કાયાથી કોઈ પણ જીવમાત્રને કિંચિત્માત્ર પણ દુઃખ ન દેવું એ જે ભાવ છે, એ શીલવાન ? દાદાશ્રી : એ તો ભાવ છે જ. એ તો અહિંસક ભાવ કહેવાય છે. એ વસ્તુ જુદી છે અને આ તો સ્ત્રીસંબંધી વિષય જીત્યો, એ બધું જીત્યો. પ્રશ્નકર્તા : મેં બ્રહ્મચર્ય વ્રત લીધા પછી એક મહિનો કૃપાળુદેવનું આ પદ ‘નિરખીને નવયૌવના’ ગાયું હતું. દાદાશ્રી : આ પદ જે ગાયને તેમનું ચોખ્ખું થઈ જાય. આ પદ તો તમારે રોજ ગાવું જોઈએ, બબ્બે વખત ગાવું જોઈએ. એક વિષય જીતે તો આખું જગત જીતી ગયો, બસ ! ભલેને પછી ગમે તે ખાવ કે પીવો, એમાં કશું નડવાનું નથી. પણ આ જેણે જીત્યું, તે આખું જગત જીતી ગયો. આ એકલું જ, માણસ અહીં જ ફસાય છે. વિષય જીત્યો એટલે દુનિયાનો રાજાને ! કર્મો જ બંધાય નહીંને ! એમાંથી તો નર્યા કર્મો, ભયંકર કર્મો બંધાય. એક જ ફેરાનો વિષય એ કેટલાં જીવો ખલાસ કરી નાંખે. એ બધા જીવોનું ઋણાનુબંધ બંધાય. એટલે આટલો એક વિષય જીતી જાય તો બહુ થઈ ગયું. ન છૂટકાની પાશવતાપ્રશ્નકર્તા : પાછું આપે કહ્યું છે કે પરણવાનું સત્યુગમાં હતું. કળીયુગમાં તો છે જ નહીં પરણવા જેવું. દાદાશ્રી : બાકી, તેમાં પરણવા જેવું છે જ શું ? આ તો અણસમજણ હોય તો પૈણે, નહીં તો પૈણે જ નહીં. પ્રશ્નકર્તા : મેં એક જોયું કે લોકોને આ માર્ગ જોઈએ છે બ્રહ્મચર્યનો. પણ મળતો નથી. (પા. ૭૨)દાદાશ્રી : હા, મળતો નથી. ઉપરી હોવો જોઈએ ને, વચનબળવાળા જોઈએ. પોતે પોતાનાં એકલાથી પાળી ના શકાય. એ તો આપણું આ વચનબળ ને આપણું આ માર્ગદર્શકપણું, તેને લીધે પાળી શકે અને આ પાળ્યું એટલે રાજા, આખી દુનિયાનો રાજા ! પ્રશ્નકર્તા : કારણ કે લોકો પરણતી વખતે બોલે છે કે હવે હું ગયો. પણ બિચારાને બીજો માર્ગ નથી. દાદાશ્રી : પાશવતા ગમતી નથી, પણ તે શું કરે ? ત્યાં ન છૂટકે પાશવતાનું છે આ બધું. વિષય એ તો ઉઘાડી પાશવતા છે. છૂટકો નહીંને ? આટલુ જીતી ગયા એટલે બસ થઈ ગયું. એટલે રોજ મનમાં એમ નક્કી કરવું કે, એક જ ફેરો આ જીતવું છે, બીજું કશું નહીં. અને જીતાય એવું છે અત્યારે. આ દાદાના હાથ નીચે બધાં માણસોને જીતાંય એવું છે. કસોટીના કોઈવાર પ્રસંગ આવે તો, એને માટે ઉપવાસ કરી નાખવા બે-ત્રણ. જ્યારે કર્મો બહુ જોર કરે ને ત્યારે ઉપવાસ કર્યા કે બંધ થઈ જાય. પેલા ઉપવાસ કરાવે તો એ લાકડી જેવો થઈ જાય. એ ઉપવાસથી મરી ના જાય. પ્રશ્નકર્તા : એટલે ઉપવાસ કરે એટલે પેલા ફોર્સીસ બધાં ઓછા થઈ જાય ? દાદાશ્રી : બધા બંધ થઈ જાય. આ બધો ખોરાકનો જ ફોર્સ છે અને બીજા ગુનાઓ ચલાવી લેવાય. આ ગુનો એકલો નહીં ચલાવાય એવો. આ તો અનંત અવતારનું ખલાસ કરી નાખે. ધૂળધાણી. એટલે આટલું જીત્યો તો બહુ થયું. બ્રહ્મચર્યનું બળ હોય તો એ પછી વિષયની ગાંઠ બંધ થઈ જાય છે. એટલે બળ એવું રાખે કે આ વિચાર આવે ને ધોઈ નાખવાં, કચડી નાખવાં. પ્રશ્નકર્તા : એ વિચાર તો મને બ્રહ્મચર્યના જ આવે છે. દાદાશ્રી : ના. તે જ કહું છું એટલે બ્રહ્મચર્યના જ આવે છે ? નહીં ! (પા. ૭૩)પ્રશ્નકર્તા : હા, હા. દાદાશ્રી : પેલા વિચાર નથી આવતા !! પ્રશ્નકર્તા : પેલું તો મને એટલું ગંદું લાગે છે. દાદાશ્રી : બહુ સારું. પ્રશ્નકર્તા : અને મને એક સમજાઈ ગયું કે આ જે જન્મ થયો છે, એ આ વિષયની ગાંઠ કાઢવા માટે જ થયો છે ? બીજું બધું તૈયાર જ છે મારું ! દાદાશ્રી : તો તો બહુ સારું, તો તો ડાહ્યો. મારે ગમતી વાત આવી હવે. બસ, બસ, મને ગમી વાત. હવે ઓલરાઈટ. એ બહુ સંતોષ થયો મને. (પા. ૭૪)[2] દ્રષ્ટિ ઉખડે, ‘થ્રી વિઝને’‘રેશમી ચાદર’ પાછળદાદાશ્રી : આમ લોહીની મહીં બધા માંસના ટુકડા પડ્યા હોય તો તે તમને જોવાના ગમે ખરા કે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : અને ઈડલી જોવાનું ગમે ? પ્રશ્નકર્તા : હા, ગમે. દાદાશ્રી : કોથમીર અને લીલાં મરચાંની ચટણી કરે, તે જોવાનું ગમે કે પેલું માંસ જોવાનું ગમે ? પ્રશ્નકર્તા : ચટણી ગમે. દાદાશ્રી : ચટણી લીલા લોહીની બનેલી છે અને આ લાલ લોહીની. આ તો ખાલી રાગ-દ્વેષ કર્યા કરે છે. આની ઉપર રાગ કરે છે ને માંસ ઉપર દ્વેષ કરે છે ! ચટણી કયા લોહીની બનેલી છે ? સ્થાવર એકેન્દ્રિયનું ગ્રીન કલરનું લોહી છે ને આપણું લોહી લાલ છે. પાંચ ઇન્દ્રિયોના બધા જીવોનું લાલ કલરનું લોહી છે. લાલ લોહીમાં જાત જાતનાં ઘટ પ્રમાણ હોય. હાડકાંને તું કોઈ દહાડો અડતો નથીને ? પ્રશ્નકર્તા : કો’ક દહાડો ભૂલમાં અડી જવાય. દાદાશ્રી : ખાવાની જોડે માંસ મૂક્યું હોય તો ખાવાનું તને ભાવે કે ના ભાવે ? (પા. ૭૫)પ્રશ્નકર્તા : ના ભાવે. દાદાશ્રી : પણ એ માંસ ઢાંકેલું હોય તો ? પ્રશ્નકર્તા : તો ભૂલમાં ખવાઈ પણ જવાય. દાદાશ્રી : આ દેહને ઢાંકેલી ચાદર છે ને પેલું ઉઘાડું માંસ છે. પ્રશ્નકર્તા : એ ઉઘાડું તો દેખાય, પણ આ ઢાંકેલું હોય તો ના દેખાય. દાદાશ્રી : હમણાં ચાદર ઉઘાડીએ તો ? પ્રશ્નકર્તા : માંસ ને બધું દેખાય તો ચીતરી ચઢે. દાદાશ્રી : અને દેખાય નહીં તો ? પ્રશ્નકર્તા : તો પછી ખબર ના પડે. દાદાશ્રી : એ આંખ કેવી તે આપણી, કે છે છતાં નથી દેખાતું ? આપણે જાણીએ કે આ ચાદરથી બાંધેલું છે, તોય પણ એ કેમ નથી દેખાતું ? આમ બુદ્ધિ તો કહે કે છે મહીં, તોય ના દેખાય, તો એ આંખ કેવી ? આ ચાદર છે તેને લીધે આ બધું રૂપાળું લાગે છે. ચાદર ખસી જાય તો કેવું લાગે ? પ્રશ્નકર્તા : લોહી-માંસ જેવું. દાદાશ્રી : તો ત્યાં ચીતરી ના ચઢે ? પ્રશ્નકર્તા : ચઢે. દાદાશ્રી : કોઈને અહીં દાઝયો હોય ત્યાં પરુ નીકળતું હોય, તો ત્યાં આપણને હાથ ફેરવવાનું ગમે ? પ્રશ્નકર્તા : ના ગમે. દાદાશ્રી : આ શી રીતે વિષય ઊભો રહ્યો છે, તે જ સમજાતું નથી. એ ઉઘાડી આંખે ઊંઘે છે, ત્યાં ઊંઘતાને શું કરે ? લોકો તો ‘દેહની મહીં (પા. ૭૬)શું છે’ તે નથી જાણતા. આ હવાઈ તું લાવ્યો હોય તો તને ખબર પડે ને, કે આમાં દારૂ ભરેલો છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તો આમાં કેમ ખબર નથી રહેતી ? હવાઈનું તો લક્ષ રહ્યા જ કરે કે આ દારૂ ભરેલો છે, આ ફૂટી નથી, હજી ફૂટવાની બાકી છે ને આ ફૂટી ગયેલી છે, એવી ખબર પડે છેને ? અને આ જીવતાં મનુષ્યોમાં શું દારૂ ભરેલો છે, તેની કેમ ખબર નથી પડતી ? એમાં શું શું દારૂ ભર્યો છે ? પ્રશ્નકર્તા : હાડકાં, લોહી, માંસ. દાદાશ્રી : હાડકાં મહીં ખરાં કે ? તે શી રીતે જોયેલાં ? પ્રશ્નકર્તા : જોયાં નથી, પણ બુદ્ધિથી ખબર પડેને ? દાદાશ્રી : બુદ્ધિ તો પરાવલંબી છે, સ્વાવલંબી નથી. બીજી જગ્યાએ જોયું હોય તેના પરથી ખબર પડે કે માણસને આવું હોય છે, તે મારામાં હશે. બુદ્ધિ પરાવલંબી છે અને જ્ઞાન પરાવલંબી નથી. જ્ઞાન સીધું દેખે. ગંદવાડો લાગે તેવું બીજું કશું હશે શરીરમાં? પ્રશ્નકર્તા : દુષ્ટતા હોય. દાદાશ્રી : દુષ્ટતા તો જાણે ઠીક છે, એ પ્રાકૃત ગુણ કહેવાય; પણ આમાં માલ શું શું છે ? પ્રશ્નકર્તા : બીજું ખબર નથી. દાદાશ્રી : ખાવાનું તું શું શું ખાય છે ? પ્રશ્નકર્તા : દાળ, ભાત, રોટલી, શાક. દાદાશ્રી : પછી એ ગલન થાય છે, ત્યારે શું થાય છે ? પ્રશ્નકર્તા : મળ થઈ જાય. (પા. ૭૭)દાદાશ્રી : એવું શાથી થાય છે ? આપણે જે ખોરાક ખાઈએ ને તેમાંથી બધો સાર સાર ખેંચાઈ જાય અને લોહી ને એ બધું બને ને શરીર જીવતું રહે અને જે અસાર રહે તે નીકળી જાય. આ તો બધી મશીનરી છે. લોહી ચાલુ રહે એટલે આંખો ચાલુ રહે, મહીં વાયર બધા ચાલુ જ છે. ખોરાક નાખીએ તો ઇલેક્ટ્રિસિટી ચાલુ થાય. ઇલેક્ટ્રિસિટીથી શ્વાસોચ્છ્વાસ ચાલે. હમણાં એક પોટલીમાં હાડકાં ને માંસ સુંવાળી ચાદરમાં બાંધ્યા, પછી અહીં એને લાવીને મૂકી હોય તો તને તે લક્ષમાં તો રહે ને, કે આમાં આ ભરેલું છે ? પ્રશ્નકર્તા : રહી શકે ને ! દાદાશ્રી : ત્યારે સારું, આ જેને લક્ષમાં રહે, તેને મોટા અધિપતિ કહ્યા છે, એ જાગૃત કહેવાય. જાગૃત હોય તે આ સંસારમાં ખરડાય નહીં અને જાગૃત જ વીતરાગ થઈ શકે ! અદ્ભૂત પ્રયોગ, થ્રી વિઝનનોમારો જે પ્રયોગ કરેલો હતો, એ પ્રયોગ જ વાપરવાનો. અમારે એ પ્રયોગ નિરંતર ગોઠવાયેલો જ હોય, તે અમને જ્ઞાન થતાં પહેલાંય જાગૃતિ રહેતી હતી. આમ સુંદર કપડાં પહેર્યાં હોય, બે હજારની સાડી પહેરી હોય તોય જોતાંની સાથે જ તરત જાગૃતિ ઊભી થાય, તે નેકેડ દેખાય. પછી બીજી જાગૃતિ ઉત્પન્ન થાય, તે ચામડી વગરનું દેખાય અને ત્રીજી જાગૃતિ પછી પેટ કાપી નાખે તો મહીં આંતરડાં દેખાય, આંતરડાંમાં શો ફેરફાર થાય છે એ બધું દેખાય. લોહીની નસો મહીં દેખાય, સંડાસ દેખાય, આમ બધો ગંદવાડો દેખાય. પછી વિષય ઊભો થાય જ નહીં ને ! આમાંથી આત્મા ચોખ્ખી વસ્તુ છે, ત્યાં આગળ જઈને અમારી દ્રષ્ટિ અટકે, પછી શી રીતે મોહ થાય ? લોકોને આવું આરપાર દેખાય નહીં ને ? લોકોને એવી દ્રષ્ટિ નહીં ને ? એવી જાગૃતિ યે ક્યાંથી લાવે ? આવું દેખાય, એ તો મોટામાં મોટી જાગૃતિ કહેવાય. એટ-એ-ટાઈમ આ ત્રણેય જાગૃતિ હોય. આ મને જે જાગૃતિ હતી, તે તમને કહું છું. જે રીતે હું જીત્યો છું, એ (પા. ૭૮)રીતે તમને બધાને, આ જીતવાનો રસ્તો દેખાડ્યો. રસ્તો તો હોવો જોઈએને ? અને તે કંઈ જાગૃતિ વગર તો કોઈ દહાડોય બને જ નહીં ને ? આ તો કાળ એવો વિચિત્ર છે, પહેલાં તો લિપસ્ટિકો અને મોઢે પાવડર, એ બધું ક્યાં ચોપડતા હતા ? જ્યારે અત્યારે તો એવું બધું ઊભું કર્યું છે કે ઊલટું ખેંચાણ કરે માણસને, એવું બધું મોહબજાર થઈ ગયું છે ! પહેલાં તો શરીર સારું હોય, દેખાવડી હોય તોય આવા મોહનાં સાધન નહીં. અત્યારે તો નર્યું મોહબજાર જ છેને ? તે કદરૂપા માણસેય રૂપાળા દેખાય છે, પણ આમાં શું જોવાનું ? આ તો નર્યો ગંદવાડો !! એટલે મને તો બહુ જાગૃતિ રહે, જબરજસ્ત જાગૃતિ રહે ! આપણું જ્ઞાન જાગૃતિવાળું છે, એટ-એ-ટાઈમ લાઈટ કરવું હોય તો થાય એવું છે !! હવે જો તે ઘડીએ આવી જાગૃતિનો ઉપયોગ ના કરે તો માણસ માર્યો જાય. આપણે ઘણુંય શુદ્ધાત્મા જોવા જઈએ તો પણ એ દ્રષ્ટિ સ્થિર થવા ના દે, એટલે આવો ઉપયોગ જોઈએ. તે અમને જ્ઞાન થતાં પહેલાં આવો ઉપયોગ ગોઠવાયેલો, નહીં તો આ મોહબજાર તો મારી જ નાખે આ કાળમાં. આ તો સ્ત્રીઓને જોવાથી જ રોગ પેસી જાયને ! હવે શું એ પૈણેલા નથી ? પૈણેલા હોય તોય એવા ! કારણ કે આ કાળ જ એવો છે ! આ થ્રી વિઝન યાદ રહેશે કે ભૂલી જશો ? પ્રશ્નકર્તા : દ્રઢ નિશ્ચય હોવા છતાં કોઈ સ્ત્રી તરફ વારંવાર દ્રષ્ટિ ખેંચાય છે અને થ્રી વિઝન જાણવા છતાં ‘જેમ છે’ તેમ દેખાતું કેમ નથી ? દાદાશ્રી : એ થ્રી વિઝન જાણેલું નથી, થ્રી વિઝન જાણે તો એને છે તે દ્રષ્ટિ ખેંચાય જ નહીં. થ્રી વિઝન દેખાય એટલે હાથ જ ઘાલે નહીં. પછી આ તો દ્રષ્ટિ પડે તો ઊલટું પાછું જોઈ લે. પ્રશ્નકર્તા : થ્રી વિઝન નથી દેખાતું, એ મોહને લીધે ? દાદાશ્રી : જાણતો જ નથી, થ્રી વિઝન શું છે તે જ જાણતો નથી. મોહને લીધે ભાનમાં જ ના આવે ને મોહ એટલે બેભાનપણું ! (પા. ૭૯)પ્રશ્નકર્તા : એટલે હવે થ્રી વિઝન દેખાય, એનો ઉપાય શું ? દાદાશ્રી : એ કંઈ દેખાવાનું જ નથી. એનો ઉપાય જ ક્યાં કરવાનો ? એ જેને દેખાય, એ માણસ જ જુદી જાતના હોય, અફલાતુન માણસ હોય. આ કાળમાં એટલો બધો વૈરાગ રહે નહીં માણસને ! એટલે આ થ્રી વિઝન બહુ ઊંચી વસ્તુ છે, એનાથી પછી વૈરાગ રહે. અમે નાની ઉંમરમાંથી આવો પ્રયોગ કરેલો. શોધખોળ કરી કે આ જ રોગ છે, મોટામાં મોટો. પછી આ જાગૃતિથી પ્રયોગ કરેલો, પછી તો અમને સહજ થઈ ગયું. અમને એમ ને એમ બધું સહેજે દેખાય. બે-ચાર વાર ગટરનું ઢાંકણું ઉઘાડવાનું હોય, પછી ખબર ના પડે કે મહીં શું છે તે ? પછી એવી ગટર આવે તો ખબર ના પડે ? વખતે બે-ચાર વાર ભૂલ થઈ જાય, પણ પછી તો આપણને ખબર રહેને ? પ્રશ્નકર્તા : એટલે આ પ્રયોગ કન્ટીન્યુઅસ રાખવાનો થ્રી વિઝનનો ? દાદાશ્રી : ના, એ એમ જ છે ! આ તો લૂગડાં ઢાંકીને ફરે એટલે રૂપાળું દેખાય, બાકી મહીં એવું જ છે. આ તો માંસને રેશમી ચાદરથી બાંધ્યું છે, એટલે મોહ થાય છે. માંસ એકલું હોય તોય વાંધો નહીં, પણ આ તો મહીં આંતરડાં બધું કાપે તો શું નીકળે મહીંથી ? એટલે એની પર વિચાર જ નથી કર્યો. એ જો વિચાર કર્યો હોય, તો તો ત્યાં દ્રષ્ટિ ફરી જાય જ નહીં. આ તો ભ્રાંતિથી મૂર્ખાઈમાં માણસે સુખ કલ્પેલું છે. બધાએ કલ્પ્યું એટલે આણેય કલ્પ્યું, એવું ચાલ્યું છે ! સીત્તેર-એંસી વર્ષની સ્ત્રીઓ જોડે તું પૈણું ખરો ? કેમ નહીં ? પણ એના અંગ બધું સારું દેખાય કે નહીં ? એ જોવાનું મન જ ના થાય ને ? પ્રશ્નકર્તા : એવો કોઈ રસ્તો નથી, શોર્ટકટ નથી કે થ્રી વિઝન પહેલાં જ આરપાર ચોખ્ખું દેખાય ? દાદાશ્રી : આ જ શોર્ટકટ ! મોટામાં મોટો શોર્ટકટ જ આ ને ! આ થ્રી વિઝનથી અભ્યાસ કરતો કરતો આગળ જાય એટલે ‘જેમ છે તેમ’ એને દેખાય, પછી વિષય છૂટી જાય. થ્રી વિઝન સિવાયનો રસ્તો ઊંધે રસ્તે (પા. ૮૦)ચાલવાનો શોર્ટ રસ્તો કહેવાય, નહીં તો પૈણવું હોય તો કોણે ના પાડી છે ? નિરાંતે પૈણો ને ! કોણે બાંધ્યા છે તમને ?! અમને આરપાર બધું દેખાય. આ જ્ઞાન એવું છે કે જ્યારે ત્યારે તમને આવી દ્રષ્ટિ કરાવશે. કારણ કે જ્ઞાનના આપનારાની દ્રષ્ટિ આવી છે, મારી આવી દ્રષ્ટિ છે. એટલે જ્ઞાનના આપનારાની જેવી દ્રષ્ટિ હોય તેવી દ્રષ્ટિ થાય. જેને આરપાર દેખાયા કરે, તેને કેમનો મોહ થાય તે ? ખરું બ્રહ્મચર્ય, જાગૃતિપૂર્વકનુંપ્રશ્નકર્તા : સ્ત્રી-પુરુષનો ભેદ ભૂલવો પડશે ને ? દાદાશ્રી : ભેદ ભૂલવાનો નથી. ભેદ તો આપણને મૂર્છાને લઈને લાગે છે અને એમ ભૂલવાથી એ ભૂલાય એવો છે નહીં. એણે જાગવું પડશે, એવી જાગૃતિ જોઈશે. આ જ્ઞાન પ્રાપ્ત થયું એટલે ‘આત્મદ્રષ્ટિ’ થયો ને, એટલે હવે જાગૃતિ વધશે ને તેમ તેમ એય આરપાર જોતો થશે. આરપાર જોતો થયો કે એની મેળે જ વૈરાગ આવે. જોયું એટલે વૈરાગ આવે જ છે અને તો જ વીતરાગ થઈ શકાય, નહીં તો વીતરાગ થઈ શકાતું હશે ? અને ખરેખર એક્ઝેક્ટ એમ જ છે. ‘ફૂલ’ જાગૃતિ થાય, ત્યારે એ જાગૃતિ જ કેવળજ્ઞાનમાં પરિણામ પામે છે. પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય પાળવું છે એવો નિશ્ચય થાય છે ને, ત્યારથી જ જાગૃતિ વધી જાય છે. દાદાશ્રી : ના, જાગૃતિ એ તો, આપણે ‘જ્ઞાન’ આપીએ છીએ ત્યારે જાગૃતિ ઉત્પન્ન થાય છે. નહીં તો જાગૃતિનો બીજો ઉપાય જ નથી. આ બહારના લોકો બ્રહ્મચર્ય પાળે જ છે ને ?! પણ એમાં જાગૃતિ નથી હોતી. બ્રહ્મચર્ય આ જાગૃતિના આધારે છે ને ? જાગૃતિ ‘ડિમ’ થવાથી જ (પા. ૮૧)આ મોહ ઉત્પન્ન થાય છે ને ! નહીં તો આમાં હાડ, પરું ને માંસ નથી ભરેલું ? પ્રશ્નકર્તા : એટલે આ વિષયની બાબતમાં કપડાંને લીધે મોહ ઉત્પન્ન થાય છે ને ? આમ આ દ્રષ્ટિ પડે, તે પહેલાં કપડાં પર પડે છે, એટલે ત્યાંથી મોહ ઉત્પન્ન થાય છેને ? દાદાશ્રી : મૂળ તો પોતે વિષયી છે, તેથી કપડાં વધારે મોહ કરે છે. પોતે વિષયી ના હોય તો કપડું કશું મોહ ના કરે. આ અહીં સારાં સારાં કપડાં પાથરીએ તો મોહ ઊભો થાય ? એટલે પોતાને વિષયની મઝા-આનંદ છે, એની ઈચ્છા છે, તેથી પેલો મોહ ઉત્પન્ન થાય છે. વિષયની ઈચ્છા વગરના માણસોને શી રીતે મોહ ઉત્પન્ન થાય ? આ મોહ કોણ ઊભો કરે છે ? પાછલાં પરિણામ મોહ ઊભા કરે છે. તે એને આપણે ધોઈ નાખીએ. બાકી કપડાં બિચારાં શું કરે ? પહેલાંનું બીજ નાખેલું છે, તેનું આ પરિણામ આવ્યું. પણ એ બધા ઉપર મોહ ના થાય. હિસાબ હોય ત્યાં જ મોહ થાય. બીજે મોહનાં નવાં બીજ પડે ખરાં, પણ મોહ ના થાય. આ તો કપડાંને લીધે મોહ ઉત્પન્ન થાય છે, નહીં તો કપડાં કાઢી નાખે તો ઘણો ખરો મોહ ઓછો થઈ જાય. ફક્ત આપણી ઊંચી નાતોમાં જ મોહ ઓછો થઈ જાય. આ તો બિચારાના કપડાંને લીધે ભ્રાંતિ રહે છે અને કપડાં વગરનું જુએ તો એમ ને એમ વૈરાગ આવી જાય. તેથી આ દિગંબરીઓની શોધખોળ છે ને?! ઉપયોગ જાગૃતિથી, ટળે મોહ પરિણામશ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે, ‘દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય.’ શાસ્ત્રોમાં વાંચીએ છીએ કે સ્ત્રી પર રાગ ના કરવો અને પાછા સ્ત્રીને જોઈએ છીએ ને ભૂલી જવાય છે, તેને ‘દેખત ભૂલી’ કહેવાય. મેં તો તમને એવું જ્ઞાન આપ્યું છે કે હવે તમને ‘દેખત ભૂલી’ યે રહી નહીં, તમને શુદ્ધાત્મા દેખાય. બહારનું પેકિંગ ગમે તેવું હોય તોય પેકિંગ જોડે આપણને શી લેવા દેવા ? પેકિંગ તો સડી જવાનું છે, બળી જવાનું છે, પેકિંગમાં શું કાઢવાનું છે ? એટલા માટે જ્ઞાન આપેલું છે કે આપણે (પા. ૮૨)શુદ્ધાત્મા જુઓ, એટલે ‘દેખત ભૂલી ટળે’ ! ‘દેખત ભૂલી ટળે’ એટલે શું કે આ મિથ્યા દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ ફરે અને સમ્યક્ દ્રષ્ટિ થાય તો બધાં દુઃખોનો ક્ષય થાય ! પછી એ ભૂલ ના થવા દે, દ્રષ્ટિ ખેંચાય નહીં. કૃપાળુદેવે તો કેટલું બધું કહ્યું છે, છતાંય કહે છે કે ‘દેખત ભૂલી’ થાય છે, દેખીએ છીએ ને ભૂલ થાય છે. ‘દેખત ભૂલી ટળે’ તો સર્વ દુઃખોનો ક્ષય થાય. તે દેખત ભૂલી ટાળવાનો મેં આ માર્ગ આપ્યો કે આ બેન જાય છે, તેની મહીં તું શુદ્ધાત્મા જોજે. શુદ્ધાત્મા તને દેખાય તો પછી બીજું જોવાનું ના હોય. બીજો તો કાટ ચઢેલો કહેવાય. કોઈને લાલ કાટ હોય, કોઈને પીળો કાટ હોય, કોઈને લીલો કાટ હોય, પણ આપણે તો લોખંડ એકલું જ જોવાનું ને ?! અને કાટ દેખાય તેની સામે ઉપાય આપી દીધો છે. સંજોગવશાત્ ફસાયો એનો વાંધો નથી, પણ ઇચ્છાપૂર્વકનું ના હોવું જોઈએ. સંજોગવશાત્ તો જ્ઞાની પણ ફસાય. આ વિષય તો અવિચારે કરીને છે. જેમ વિચારે કરીને ખોટ-નફો આપણને માલમ પડે છે કે નથી પડતો ? અને વિચાર ના આવતા હોય, તેને ખોટ-નફો ના માલમ પડે ને ? એવું વિચાર કરનાર હોય તો આ વિષય તો ઊભો જ ના રહે, પણ આ કાળચક્ર એવું છે કે બળતરામાં એને હિતાહિતનું ભાન જ નથી રહ્યું કે પોતાનું હિત શેમાં અને પોતાનું અહિત શેમાં ? બીજું, આ વિષયના સ્વરૂપને સમજણપૂર્વક બહુ વિચારી નાખ્યું હોય તોય પણ અત્યારે જે વિષય ઊભો છે, એ આગળના અવિચારોનું કારણ છે. તેથી ‘દેખત ભૂલી’ ટળે નહીં ને ! આપણને વિષયનો વિચાર ના આવ્યો હોય પણ કોઈ જગ્યાએ એવું દેખવામાં આવ્યું હોય, તો પણ તરત જ ભૂલ ખાઈ જાય. દેખે ને ભૂલે, એવું બને કે ના બને ? ‘દેખત ભૂલી’નો અર્થ શો ? કે મિથ્યાદર્શન ! પણ બીજું બધું ‘દેખત ભૂલી’ થાય તેનો વાંધો નહીં, પણ આ વિષયસંબંધીમાં, ચારિત્રસંબંધીમાં ‘દેખત ભૂલી’નો ઉપાય શો ? આપણને જ્ઞાન મળ્યું હોય તો પોતાને ભૂલ ખબર પડે કે અહીં આગળ આ ભૂલ ખાધી, અહીં મારી દ્રષ્ટિ બગડી હતી. ત્યાં પાછું પોતે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખાન કરીને પણ ધોઈ નાખે. પણ જેને આ જ્ઞાન ના મળ્યું હોય, તે શું કરે બિચારો ? તેને તો ભયંકર (પા. ૮૩)ખોટી વસ્તુને ખરી માનીને ચાલવું પડે છે. આ અજાયબી છે ને ! આ તો જ્ઞાન મળ્યું છે એને વાંધો નહીં, એ તો દ્રષ્ટિ બગડે કે તરત ધોઈ નાખે. જો તમારે શુદ્ધ ઉપયોગ છે, તો સામાનો ગમે તે ભાવ હોય તોય તમને ના અડે ! પ્રશ્નકર્તા : એક સ્ત્રીને જોઈને કોઈ પુરુષને ખરાબ ભાવ થાય, એમાં સ્ત્રીનો દોષ ખરો ? દાદાશ્રી : ના, એમાં સ્ત્રીનો કંઈ દોષ નહીં ! ભગવાન મહાવીરનું લાવણ્ય જોઈને ઘણી સ્ત્રીઓને મોહ ઉત્પન્ન થતો હતો, પણ તેથી ભગવાનને કશું ના અડે ! એટલે જ્ઞાન શું કહે છે કે તમારી ક્રિયા સહેતુક હોવી જોઈએ. તમારે એવા પટિયાં ના પાડવાં જોઈએ કે એવાં કપડાં પણ ના પહેરવાં જોઈએ કે જેથી સામાને મોહ ઉત્પન્ન થાય. આપણો ભાવ ચોખ્ખો હોય તો કંઈ બગડે તેમ નથી. ભગવાન શા હારું કેશનું લોચન કરતા હતા ? કે મારી ઉપર કોઈ સ્ત્રીનો આ વાળને લઈને ભાવ બગડે તો ? માટે આ વાળ જ કાઢી નાખો એટલે ભાવ જ ના બગડે. કારણ કે ભગવાન તો બહુ રૂપાળા હોય, મહાવીર ભગવાનનું રૂપ, આખા વર્લ્ડમાં સુંદર ! દેવો પણ બહુ રૂપાળા હોય, પણ તે વખતે રૂપનું રૂપ તો ભગવાન મહાવીર હતા ! એટલે એમની ઉપર કોઈ સ્ત્રી મોહી ના પડે, એટલે એમણે જાગૃતિ રાખવી પડે. છતાં કોઈ મોહી પડે તો એ માટે પોતે જોખમદાર નથી, કારણ કે એવી પોતાની ઇચ્છા નથી ને ! મોહ રાજાનો અંતિમ વ્યૂહમોહબજાર ચૌદ વર્ષે શરૂ થાય ને ચાલીશ વર્ષ પછી પૂરું થાય, ત્યારે એ ઝાડ સૂકાય ! આ તો જાત જાતના મોહ ! નહીં તો હિન્દુસ્તાનના એક એક મનુષ્યમાં શક્તિઓ તો એવી છે કે કામ કાઢી નાખે ! પ્રશ્નકર્તા : વધુમાં વધુ શક્તિ ક્યાં ખર્ચાય ? શક્તિઓ વધારે ક્યાં વેડફાઈ જાય છે ? દાદાશ્રી : આ મોહમાં જ, મોહ અને અજાગૃતિમાં. બાકી જેટલો (પા. ૮૪)મોહ ઓછો એટલી શક્તિ વધારે. મોહરાજાએ છેલ્લો પાસ નાખ્યો છે. અત્યારે વિષયનો જ મોહ બધે વ્યાપી ગયો છે. પહેલાં તો માનનો મોહ, કીર્તિનો મોહ, લક્ષ્મીનો મોહ, મોહ બધે જ વેરાયેલો હતો. આજે બધો મોહ એકલા વિષયમાં જ વ્યાપી ગયો છે ને ભયંકર બળતરામાં જ જીવન જીવી રહ્યાં છે. આ એકલા સાધુ- મહારાજો વિષયથી છૂટા પડ્યા છે, તેથી તેમને કંઈક શાંતિ છે. જ્ઞાનશક્તિ જબરજસ્ત હોય અને વિષય તો વિચારમાંય ના આવે, તો તે ના પરણે, પણ જ્યાં સુધી રૂપ પર મોહ છે ત્યાં સુધી પરણી લેવું. પરણવું એ ફરજ્યિાત છે ને પરણવું એ બહુ જોખમ છે ને જોખમમાં ઊતર્યા વગર પાર આવે તેમ પણ નથી. મોહ છે, તેણે પરણવું જ જોઈએ. નહીં તો હરૈયા ઢોર થઈ જાય. કો’કના ખેતરમાં પેઠો કે માર્યો જાય ને ભયંકર અધોગતિ નોંતરે ! પરણે એટલે શું કે હક્કનું ભોગવે; ને પેલું તો અણહક્કનો વિચાર આવે તો અધોગતિએ જાય ! શરીર પર રાગ જ કેમ થવો જોઈએ ? શરીર શેનું બનેલું છે ? પ્રશ્નકર્તા : પુદ્ગલનું. દાદાશ્રી : હા, પુદ્ગલ ખરું, પણ કેવું પુદ્ગલ ? એકલું જો સોનાનું બનેલું હોય તો ગંધાય નહીં, હાથ બગડે નહીં, કશુંય નહીં, પણ આ તો સારી ચાદરથી પોટલું બાંધેલું છે, એટલે કેટલી બધી ફસામણ થઈ છે ! એનું નામ જ મોહ ને ! જે છે તે દેખાતું નથી, નથી તે દેખાય છે ! નિર્મોહી કોણ ? જ્ઞાની પુરુષ, કે એમને જે છે એ જ દેખાય ! આરપાર મહીં, હાડકાં-બાડકાં, આંતરડાં-બાંતરડાં બધું જ દેખાય, એમ ને એમ સહજ સ્વભાવે બધું દેખાય. પ્રશ્નકર્તા : એ જાતની દ્રષ્ટિ હોય, તો પછી આકર્ષણ રહે જ નહીં ને ? દાદાશ્રી : આ સંડાસ જોઈએ છીએ, ત્યાં આકર્ષણ થાય છે ? દેખીએ ને મૂર્છિત થાય, એ ગયા અવતારનો મોહ છપાઈ ગયો છે, તેથી. આ ચામડીથી ઢાંકેલું માંસ જ છે, પણ એવું રહે નહીં ને ! જેને મૂર્છા (પા. ૮૫)ના હોય, એને એ જાગૃતિ રહે. જે છે તે દેખાવું, એનું નામ જાગૃતિ ! ફક્ત શુદ્ધાત્માનાં દર્શન કરવા જેવું છે, બીજું બધું તો રેશમી ચાદરે વીટ્યું માંસ જ છે ! અમારી આજ્ઞા પાળશો તો તમારો મોહ જશે. મોહને તમે જાતે કાઢવા જશો તો એ તમને કાઢી મૂકે એવો છે ! માટે એમને કાઢી મૂકવા કરતાં એમને કહીએ, ‘બેસો સાહેબ, અમે તમારી પૂજા કરીએ!’ પછી જુદા થઈને આપણે તેના પર ઉપયોગ દીધો ને દાદાની આજ્ઞામાં આવ્યા કે મોહને તરત એની મેળે જવું જ પડશે. પછી મોહ જ કહેશે કે, ‘અપના તો ઇધર કુછ ચલેગા નહીં, ઇધર દાદાકા સામ્રાજ્ય હો ગયા હૈ, અબ અપના કુછ નહીં ચલેગા !’ તે મોહ બધા બીસ્તરા-પોટલાં લઈને જતો રહેશે. બાકી બીજી કોઈ રીતે મોહને કોઈ કાઢી શકેલો નહીં. એ તો મોહરાજા કહેવાય ! વિષયની ‘છૂપી રુચિ’ તો નથી ને ?વિષયનું વિરેચન કરનાર દવા વર્લ્ડમાં કોઈ હોય નહીં. આપણું જ્ઞાન એવું છે કે વિષયનું વિરેચન થાય. મહીં વિચાર આવે કે એ અવસ્થા ઊભી થઈ, કે તરત જ એની આહૂતિ અપાઈ જાય. આ વિષય એક જ એવો છે કે નર્યા કપટનું જ સંગ્રહસ્થાન છે ને ! જેમાં અનંતા દોષ બેસે છે અને કેટલાય અવતાર બગાડી નાખે છે ! વિષય હોય તે કંઈ એકદમ જતા ના રહે. પણ એનો કંટાળો આવે ને એનું પ્રતિક્રમણ કર કર કરે તો ઉકેલ આવે. પ્રતિક્રમણ કોનું નામ કહેવાય કે ડાઘ પડ્યો કે તરત ધોઈ નાખવું, એને પ્રતિક્રમણ કહેવાય. આ ડાઘને કેમ ધૂઓ છો ? કારણ એ ક્રમણ નથી, આ અતિક્રમણ છે. માટે એનું પ્રતિક્રમણ કરો અને એ ‘શૂટ ઓન સાઈટ’ જોઈએ. અક્રમ વિજ્ઞાનનું પ્રતિક્રમણ ‘શૂટ ઓન સાઈટ’ છે. નહીં તો આ લફરાં છૂટે જ નહીંને ?! એકાવતારી થવું છે, પણ આ લફરાં ક્યારે છૂટી રહે ?! ‘શૂટ ઓન સાઈટ’ પ્રતિક્રમણથી છૂટાય. વિષયનું પ્રતિક્રમણ રવિવારે આખો દહાડો ચાલુ રાખ્યું હોય, એટલે પછી છ દહાડા સુધી વિષયની વાત ઊભી થાય, તે પહેલાં પ્રતિક્રમણ એને (પા. ૮૬)ફરી વળે. મહીં વિષય તો ઊભા થવાના, પણ આપણે પ્રતિક્રમણનું એવું જોર રાખો કે પ્રતિક્રમણના બધા પોલીસો એને ફરી વળે. પ્રશ્નકર્તા : જેમ જેમ આપણે પ્રતિક્રમણ કરીએ, તેમ તેમ વિષય ઓછો થવાનો ને ? દાદાશ્રી : હા, પ્રતિક્રમણ કરીએ એટલે ઓછું થતું જાય. પ્રતિક્રમણ કરે છે ખરો, પણ અંદરખાને વિષયની રુચિ રહ્યા કરે છે. તે પોતાને ખબર પડતી નથી. એ રુચિ બિલકુલેય રહેવી ના જોઈએ. અરુચિ ઉત્પન્ન થવી જોઈએ. અરુચિ એટલે તિરસ્કાર નહીં, પણ આમાં કશું છે જ નહીં એવું થવું જોઈએ. પ્રશ્નકર્તા : રુચિ મહીં રહેલી છે, એ ખબર કેમ પડતી નથી ? દાદાશ્રી : એ ખબર ના પડે એટલું જાડું ખાતું છે. પ્રશ્નકર્તા : પણ આમ તો એવું લાગે છે કે આપણે આ વિષય તો ભોગવવો જ નથી. દાદાશ્રી : એ તો એવું લાગે ખરું, પણ એ બધું શબ્દોથી છે. હજુ મહીં જે રુચિ છે, એ ગઈ નથી. રુચિનું બીજ અંદર હોય છે, તે ધીમે ધીમે તને સમજાશે. જે ડેવલપ થયેલો માણસ હોય, તેને સમજાઈ જાય. પ્રશ્નકર્તા : ક્ષત્રિયને વિષય સામે ક્ષત્રિયપણું ના આવી જાય ? દાદાશ્રી : આવે ને ! પણ વિષયમાં ક્ષત્રિયપણું આવે એવું નથી. ક્ષત્રિયપણું હોત, તો તો એને કાપી નાખવાનું કહેત, પણ આ વિષય એ સમજણનો વિષય (સબ્જેક્ટ) છે. એટલે બહુ વિચારે કરીને વિષયો જાય. એટલા માટે વિષયથી છૂટવા માટે મેં આ ત્રણ વિઝન બતાડ્યા છે ને ? પછી એને રાગ થાય નહીં ને ! નહીં તો સ્ત્રીએ આમ સારા ઘરેણાં ને સારાં કપડાં પહેર્યાં હોય તો બધું ભૂલી જાય ને મોહ ઉત્પન્ન થઈ જાય. પ્રશ્નકર્તા : હજુ તો વિષયમાં રુચિ અંદર હોય, છતાં ખબર નથી પડતી કે રુચિ છે કે નહીં. (પા. ૮૭)દાદાશ્રી : એટલું જાણ્યું તોય સારું તારે. પ્રશ્નકર્તા : વિષયોમાં જે ઈન્ટરેસ્ટ ઊભો થાય છે એ રુચિ પડી, એના આધારે ઊભો થાય છે ? દાદાશ્રી : હા. રુચિ ના હોય તો કશું નહીં. અરુચિ ઉપર વિષય ઊભો કેમ થાય ? અરુચિ ઉપર વિષય કેમ ઊભો થાય ? કોઈ સ્ત્રી હાથે દાઝી ગઈ હોય, રોજ આખા શરીરે પુરુષ અડતો હોય, પણ હાથે દાઝી ગયેલું હોય ને પછી ફોલ્લાં પડે અને પછી પરું નીકળતું હોય, એ ઘડીએ પેલી સ્ત્રી કહે કે ‘અહીંયા આ જરા ધોઈ આલો.’ તો શું કહે ? પ્રશ્નકર્તા : ના પાડે. દાદાશ્રી : હવે એ રુચિ હતી, તે ત્યાં આવું જોઈને અરુચિ થઈ જાયને ! પછી ફરી રુચિ ઉત્પન્ન ના થાય. પણ સ્ટેબીલાઈઝ રહેવું જોઈએ. આ તો આમ પાછાં સાજા થઈ જાય તો, ત્યારે હતા તેવાં ને તેવાં થઈ જાય, એવું નહીં. સ્ટેબીલાઈઝ થઈ જવું જોઈએ. પ્રશ્નકર્તા : સ્ટેબીલાઈઝ કેવી રીતે થાય ? દાદાશ્રી : એ તો આ અહીં આગળ છે તે, આ રોડ ઉપર જઈને પૂછી આવજે ને ! એ લોકો કરે છે એવી રીતે તુંય કરજે. આ કાંકરા-મેટલ નાંખીને ત્યાં રોલર ફેરવે છે, એ સ્ટેબીલાઈઝ થઈ જાય એવું જોઈ લે. પ્રશ્નકર્તા : પણ કયું રોલર ફેરવવું પણ ? દાદાશ્રી : તો પેલા રોલરથી આપણે પસ્તાવો કરી કરીને, દોષને કાઢવાના. પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધા પછી પોતાનો નિશ્ચય છે, ધ્યેય છે, તેમ છતાં પણ જે રુચિ રહેલી છે, એ રુચિને તોડવા માટે, એને છેદવા માટે શું હોવું જોઈએ ? દાદાશ્રી : એક્ઝેક્ટ પ્રતિક્રમણ કરે તો થાય. અરુચિ જોવાનાં બીજાં (પા. ૮૮)બધા સાધનો તેની મહીં આવે અરુચિ જોવાનાં, એ બધું હેલ્પ કર્યા કરે. પ્રશ્નકર્તા : સ્ત્રી પરનો મોહ ને રાગ જાય, ત્યારે રુચિ ખલાસ થવા માંડે ? દાદાશ્રી : રુચિની ગાંઠ તો અનંત અવતારની પડેલી છે, ક્યારે ફૂટી નીકળે એ કહેવાય નહીં. એટલે આ સંગમાં જ રહેવું. આ સંગની બહાર ગયા કે ફરી એ રુચિના આધારે બધું ફૂટી નીકળે પાછું. એટલે આ બ્રહ્મચારીઓનાં સંગમાં જ રહેવું પડે. હજુ આ રુચિ ગઈ નથી, એટલે બીજા કુસંગમાં પેસો કે પેલું તરત ચાલુ થઈ જાય. કારણ કે કુસંગનો બધો સ્વભાવ જ એવો છે. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરીએ તોય ? દાદાશ્રી : ત્યાં તું લાખ પ્રતિક્રમણ કરું, તોય કુસંગ હશે તો બધું અવળું થશે ! પ્રશ્નકર્તા : પણ એ કુસંગ તો આપણને જોઈતો નથી. એની તો આપણને ઇચ્છા જ નથી તોય ? દાદાશ્રી : કુસંગ તો આપણને જોઈતો નથી, પણ કોઈ વખત એવો સંજોગ આવી જાય ને ? સત્સંગ છૂટી ગયો ને કુસંગમાં આવી ગયો, તો રુચિ અંદર પડેલી છે એટલે કુસંગ ફરી વળે. પણ જેને રુચિ ઊડી ગયેલી હોય તો કુસંગ ના અડે પછી. રુચિ ઊડી ગયેલી હોય એટલે એને રુચિનું બીજ નથી, પછી સંજોગ ભેગા થાય તોય બીજ ઊગે જ નહીં ને ! (પા. ૮૯)[3] દ્રઢ નિશ્ચય પહોંચાડે પારન ડગે કદિ, તે નિશ્ચયએક ભાઈ મને કહે કે ‘ઘણીય ઇચ્છા નથી તોય વિષયના વિચારો આવે છે, તો મારે શું કરવું ?’ આ સિવાય બીજું કર્યું જ નથી ને ! અનંત અવતાર આને આ જ સેવન કર્યું, એનાં જ એને પડઘા પડ્યા કરે છે ! જ્ઞાનીઓ મળે તો એને છોડાવડાવે, નહીં તો કોઈ છોડાવે નહીં. શી રીતે છોડાવે ? કોણ છોડાવે ? છૂટેલો હોય તે જ છોડાવે અને વિષયમાંથી છૂટ્યો તો મુક્ત થયો જાણવું ! આ એકલા વિષયમાંથી જ છૂટ્યો કે કામ થઈ ગયું. જેને છૂટવાની ઇચ્છા છે, એને સાધન જ્યારે ત્યારે મળી આવે છે. સ્ટ્રોંગ ઇચ્છાવાળાને જલ્દી મળી આવે ને મંદ ઇચ્છાવાળાને મોડું મળી આવે, પણ ઇચ્છા સાચી છે તો મળી જ આવે. લગ્નની ઇચ્છાવાળાને લગ્ન થયા વગર રહે છે ? એવું આય ઇચ્છા સ્ટ્રોંગ હોવી જોઈએ. નિશ્ચય કોનું નામ કહેવાય ? કે ગમે તેવું લશ્કર ચઢી આવે તોય આપણે તેને ગાંઠીએ નહીં ! મહીં ગમે એવા સમજાવનારા મળે તોય આપણે તેને ગાંઠીએ નહીં ! નિશ્ચય કર્યો, પછી એ ફરે નહીં, એનું નામ નિશ્ચય કહેવાય. નિશ્ચય જ કરવાનો છે, બીજું કશું જ નથી કરવાનું. લોકો ભાવ તો સમજતા જ નથી કે ભાવ શાને કહેવાય ? ભાવ આવ્યા પછી તો અભાવ આવે, પણ આ તો નિશ્ચય કે અમારે આમ તો નહીં જ ! નિશ્ચય એ પુરુષાર્થ છે ! તમે જેટલાં નિશ્ચય કરેલાં ને, આ રોજ સત્સંગમાં શાથી અવાય છે ? નિશ્ચય કર્યો છે, ‘જવું છે’, એટલે જવાય જ ! ત્યાર વગર (પા. ૯૦)રૂપકમાં આવે નહીં ને ! આ પૂર્વના તમારા નિશ્ચય ઓપન થયા છે. આ અનિશ્ચયને લીધે તો બધાં દુઃખ છે. યે ભી ચાલશે ને વો ભી ચાલશે, તો તેને તેવું મળે. આ તો અમે બહુ ઝીણી વાત કરવા માંગીએ છીએ. જેટલાં નિશ્ચય કર્યા છે, એટલાં ફળ મળશે. જુઓને, નોકરીના નિશ્ચય કર્યા, વેપારના નિશ્ચય કર્યા, આમ રહેવું છે તેવાં નિશ્ચય કર્યા, ઘરમાં નથી રહેવું તેનાં નિશ્ચય કર્યા, ઘરમાં પાછું રહેવું છે એવાં નિશ્ચય કર્યા ને તે પ્રમાણે ફળ મળ્યાં. આ જ જોવાનું છે, કે આ ફિલ્મ કેવી ચાલે છે ! ‘સત્સંગ કરવો છે, જગત કલ્યાણને માટે પ્રયત્ન કરવો છે.’ એવો નિશ્ચય કરેલો, તે અમારે આજે બાવીસ વર્ષથી ચાલ્યો અને આ તો હજુ રહેવાનો છે ! આજે આપણે જે નક્કી કર્યું એ ઠેઠ સુધી રહે, એનું નામ નિશ્ચય કહેવાય !! તો પછી એનો સાંધો આગળ મળી જાય પાછો. અહીંથી નનામી કાઢતાં પહેલાં નિશ્ચય ફેરવી નાખ્યો તો પછી આગળ નિશ્ચય કયાંથી મળે ? આગળ એને ટાઈમે નિશ્ચય મળે ખરો, પણ તે એકધારો નહીં, પિસીસવાળો મળે. મોટા જ્યોતિષે કહ્યું હોય કે કઢી ઢોળાઈ જવાની છે, તોય આપણે પ્રયત્ન કરવો. કારણ કે ટાઈમીંગ બદલાઈ જાય તો એનું જ્યોતિષ ખોટું પડી જાય ને દિવસમાં તો ટાઈમીંગ બદલાયા જ કરવાના ! એવાં એવાં સંજોગો ઊભા થાય, તે ટાઈમીંગ બદલાઈ જાય. આપણી ભાવના એટલી બધી મજબૂત હોય તો ટાઈમીંગ હઉ બદલાઈ જાય ! અનંત શક્તિવાળો આત્મા છે !! પ્રશ્નકર્તા : નિશ્ચય આગળ ટાઈમીંગ બદલાઈ જાય ? દાદાશ્રી : નિશ્ચય આગળ બધાં ટાઈમીંગ બદલાઈ જાય. આ ભાઈ કહેતા હતા કે ‘હું બનતાં સુધી ત્યાં આવીશ, પણ વખતે ના અવાય તો નીકળી જજો.’ તે અમે સમજી ગયા કે આમણે નિશ્ચય પોલો કર્યો છે, તે આગળ એવિડન્સ એવા મળે કે આપણું ધારેલું થાય નહીં. એટલે આપણે નિશ્ચય કરવો છે એવું નક્કી કરવું, પણ કોઈ વખત પાછું સંજોગો ભૂલાડી દે. હવે એ ભાઈ જો નિશ્ચયથી કહેત કે, ‘હું આવું (પા. ૯૧)જ છું.’ તો નિશ્ચયને આગળ ટાઈમીંગ મળી જાય અને અહીં આવી જવાય. એટલે નિશ્ચય જે કર્યો છે, તે આગળ એવિડન્સ ઊભાં કરે. આપણે નિશ્ચય કરવો, પણ એય પાછું સંજોગો ભૂલાડી દે, તો પછી જાણવું કે વ્યવસ્થિત ! આ તો એવી પોતાની બધી સત્તા જો હાથમાં આવી જાય તો તો તું વ્યવસ્થિતને રમાડું ! પણ એવી સત્તા નથી ને !! વળગી રહે નિશ્ચયને ઠેઠ...નિશ્ચયશક્તિ એ તો મોટામાં મોટી શક્તિ છે, નદી ઓળંગવી કે નહીં ? તો કહે, ઓળંગવી ! ઓળંગવી એટલે ઓળંગવી ને નહીં તો નહીં ! પેલા વિષય વિચારો પર પ્રતિક્રમણનું જોર રાખવું ને હવે સાચવે, તો મહીં ફ્રેકચર થયેલું રાગે પડી જાય. ‘ઉપાદાન’ તારે જાગૃત રાખવાનું અને અમે તો ‘નિમિત્ત’, અમે આશીર્વાદ આપીએ, વચનબળ મૂકીએ, પણ નિશ્ચય સાચવવો એ તારા હાથમાં. આ જ્ઞાન મળ્યું છે, એટલે એવું ઊંચું પદ મળ્યું છે કે ગમે તેવું ધાર્યુ કામ થાય એવું છે. બીજી કોઈ જગ્યાએ જોખમ નથી. આ એકલું જ જોખમ છે ને ‘આ’ બાજુ પગ મૂક્યો કે મુક્તિ ! જો તારો નિશ્ચય ના ડગે તો કામ નીકળી જાય, એટલે રાત-દહાડો આ એક જ સ્ક્રૂ ટાઈટ કર્યા કરવો. ચા પીધી કે પાછું ટાઈટ કર્યા કરવું. કારણ કે જગતની વિચિત્રતાનો પાર નથી. ક્યારે ફસાવી દે, એ કહેવાય નહીં. જરાક કાચું પડી જાય ને, ત્યાં બ્રહ્મચર્ય ખલાસ થઈ જાય. સહેજ જરા સ્ટ્રોંગ ઉપર જ જો કદી નિશ્ચય એક ફેરો તૂટ્યો, નિશ્ચયને ગોઠવ્યો નહીં, અને તૂટ્યો એટલે આ બાજુ વળી જાય પછી ! પછી ખલાસ થઈ જાય. મન આ બાજુ સ્ટેડી રહે છે તો સારું છે, નહીં તો ખરાબ વિચાર આવે તો અમને કહી દેજે. તો અમે ઉપાય બતાડીએ, કે આ રસ્તે આમ આમ છે, નહીં તો માર્યો જઈશ. ઉપાય હંમેશાં હાથમાં હોવો જોઈએ. દાદાને કહી દઈએ એટલે મન બંધાઈ જાય. વિચાર એવી વસ્તુ છે, ગાંઠ ચાર-છ મહિના બંધ હોય ને પછી ફૂટે એટલે વિચાર તો આવે પણ આપણે (પા. ૯૨)પ્રતિક્રમણ કરી નાખવું. વિષય એ તો પ્રત્યક્ષ મહાદુઃખ છે, નર્યા અપજશનાં જ પોટલાં !!! એટલે જાગૃતિ તો એટલી બધી રહેવી જોઈએ કે આ કર્મ કરતાં પહેલાં શું સ્થિતિ, પછી શું સ્થિતિ, એ બધું એકદમ દેખાય એવું નિરાવરણ જ્ઞાન થયું હોય, ત્યાર પછી વાંધો નહીં. સમજો નિશ્ચયના સ્વરૂપને...પ્રશ્નકર્તા : આપણા નિશ્ચયને તોડાવે છે કોણ ? દાદાશ્રી : એ આપણો જ અહંકાર. મોહવાળો અહંકાર છે ને ! મૂર્છિત અહંકાર !! જેમ દારૂ પીધેલો માણસ મહીં ફરતો હોય તેવો એ છે, તે તોડાવી નાખવે છે ! પ્રશ્નકર્તા : એવું હોય તો આપણે શું કરવાનું ? દાદાશ્રી : કરવાનું તો કશું હોતું જ નથી ને ! દાદાની આજ્ઞા પાળે તો આવું તેવું હોય જ નહીં ને !! ‘હું શુદ્ધાત્મા છું’ પછી પેલું બધું જોયા કરવાનું, આજ્ઞા પાળે તો કશું છે જ નહીં. પણ ‘આજ્ઞા શું છે’, એ સમજ્યા જ નથીને હજુ ? એક સમભાવે નિકાલ કરે, તે થોડુંઘણું સમજીને કરે હજુ ! પેલો દારૂ પીધેલો ફરતો હોય, એટલે મોહ હલાય હલાય જ કરે ને ?! અંદર જે અહંકાર છે, તે મોહનો દારૂ પીને આખો દહાડો ફર્યા જ કરે છે અને જ્યાં મોહવાળી વસ્તુ દેખે કે ત્યાં પાછો ખેંચાય. પ્રશ્નકર્તા : ત્યાં આગળ નિશ્ચય કામ ના લાગે ? દાદાશ્રી : નિશ્ચય તો બધુંય કામ લાગે, પણ પહેલેથી નિશ્ચય હોય અને દાદાની આજ્ઞામાં રહ્યા હોય ત્યારે કામ લાગે. દાદાની આજ્ઞાથી નિશ્ચય મજબૂત થાય. એ નિશ્ચય કામ લાગે, બાકી આમ ગાંઠવાળો નિશ્ચય ના ચાલે. નિશ્ચય કેવો હોય ? કે ખસે નહીં, ફરી બોલવું પણ ના પડે કે મેં નિશ્ચય કર્યો છે, આ તો ગાંઠ વાળે કે આજે આ નિશ્ચય કર્યો, ‘હવે આ નથી ખાવું’ ને કાલે પાછો ખાવા બેસે ! (પા. ૯૩)એટલે દાદાની આજ્ઞામાં રહે, ત્યાર પછી નિશ્ચય મજબૂત થાય. પછી એ નિશ્ચય તો બદલાય જ નહીં. અમારી આજ્ઞા પાળ્યા કરવી. આજ્ઞા સહેલી ને સરસ છે, રિલેટિવ ને રિયલ આખા દહાડામાં એક કલાક જોવું જ પડે ને ! એટલે નિશ્ચય મજબૂત થાય, નિશ્ચય મજબૂત કરનારી ‘આ’ આજ્ઞા છે. અમારી વાતોમાંથી સારભૂત ખોળી કાઢવું કે આમાં શું સારભૂત છે ? એટલું વાક્ય આપણે પકડી લેવું. બધાં વાક્ય તો ખ્યાલમાં રહે નહીં એવો તમારો ખોરાક છે ! પ્રશ્નકર્તા : નિશ્ચય કેવો કરવો જોઈએ ? દાદાશ્રી : આપણે નિશ્ચય જે કર્યો હોય, તે ગામ જવાય. આત્મા અનંત શક્તિ સ્વરૂપ છે, તે શક્તિ પ્રગટ થઈ જાય. આત્મા એ નિશ્ચય સ્વરૂપ છે અને તમારો નિશ્ચય માંગે છે. ડગમગ ડગમગ ના ચાલે ! એક જ સ્ટ્રોંગ અભિપ્રાય આખી જિંદગી ત્યાગ કરાવડાવે ! અભિપ્રાય સહેજ કાચો હોય તો શું થાય ? એમાં કર્મના ઉદય આવે પછી માણસનું ચાલે નહીં, પછી સ્લીપ થઈ જાય. અરે, પૈણી હઉ જાય ! એ અભિપ્રાય પાકાં નહીં, એટલે શું ? કે એમાં જરા છૂટછાટ રહેવા દીધેલી હોય. નિશ્ચયનાં પરિપોષકોતમારો સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાનો નિશ્ચય અને અમારી આજ્ઞા, એ તો કામ જ કાઢી નાખશે, પણ જો મહીં સહેજે નિશ્ચય આઘોપાછો ના થયો તો ! અમારી આજ્ઞા તો, એ જ્યાં જશે ત્યાં રસ્તો બતાવશે અને આપણે સહેજ પણ પ્રતિજ્ઞા નહીં છોડવી. વિષયનો વિચાર આવ્યો તો અડધો કલાક સુધી તો ધો ધો કરવો કે કેમ હજુ વિચાર આવે છે ! અને આંખ તો કોઈનાય સામે માંડવી જ નહીં. જેને બ્રહ્મચર્ય પાળવું છે, એણે આંખ તો મંડાય જ નહીં, બીજા બધા તો માંડે. તું નીચું જોઈને ચાલે છે કે ઊંચું જોઈને ચાલે છે ? પ્રશ્નકર્તા : નીચું જોઈને. દાદાશ્રી : કેટલા વખતથી ? (પા. ૯૪)પ્રશ્નકર્તા : જ્યારથી જ્ઞાન મળ્યું ત્યારથી ! દાદાશ્રી : ત્યાર પહેલાં ઊંચું જોઈને ચાલતો હતો ? એનાથી તો આંખ દાઝે અને બધા રોગ જ એમાં છે, જુએ ને રોગ પેસે ! એમાં આંખનો દોષ છે ? ના, મહીં અજ્ઞાનતાનો દોષ છે ! અજ્ઞાનતાથી એને એમ જ લાગે છે ‘આ સ્ત્રી છે’, પણ જ્ઞાન શું કહે છે ? કે ‘આ શુદ્ધાત્મા છે !’ એટલે જ્ઞાન હોય, એની તો વાત જ જુદી ને ?! અમારું વચનબળ તો હોય, પણ આટલી ચીજો સાચવવી પડે, તો તમારો નિશ્ચય ના ડગે. એક તો કોઈની સામે દ્રષ્ટિ ના માંડવી જોઈએ, ધર્મ સંબંધી હોય તે વાંધો નથી, પણ તે સાહજિક હોય. બીજું, કપડાં પહેરેલો માણસ આમ જોતાંની સાથે નાગો હોય તો કેવો દેખાય ? પછી ચામડી ઉખેડી નાખે તો કેવો દેખાય ? પછી ચામડી કાપી નાખીને આંતરડાં બહાર કાઢ્યા હોય તો કેવો દેખાય ? એમ બધી દ્રષ્ટિ આગળ આગળ વધ્યા કરે, એ બધા પર્યાય આમ એક્ઝેક્ટ દેખાય. હવે આવો અભ્યાસ જ કર્યો નથી ને ? તો એવું કેમ દેખાય ? આનો તો પહેલાં ખૂબ ખૂબ વિચારીને અભ્યાસ કરવો પડે. આ સ્ત્રી જાતિને ખાલી હાથ આમ અડી ગયો હોય તો પણ નિશ્ચય ડગાવ, ડગાવ કરે. રાત્રે ઊંઘવા જ ના દે એવા એ પરમાણુઓ ! માટે સ્પર્શ તો થવો જ ના જોઈએ અને દ્રષ્ટિ સાચવે તો પછી નિશ્ચય ડગે નહીં ! બ્રહ્મચર્યની ભાવના ભાવજે ને ખૂબ સ્ટ્રોંગ રહેજે ! નિશ્ચયમાં ચેતતો રહેજે, કારણ કે પુણ્યૈને આથમી જતાં વાર નથી લાગતી. પોતાનાં નિશ્ચયમાં બહુ બળ હોય તો જ કામ થાય. વારેઘડીએ મન બગડી જતું હોય તો પછી નિશ્ચય રહે નહીં ને ?! નિશ્ચય જબરજસ્ત જોઈએ, ‘સ્ટ્રોંગ’ જોઈએ. પછી બધા ટેકો આપે, બધા ‘હેલ્પ’ કર્યા કરે. નિશ્ચય આગળ કોઈનું ના ચાલે. નિશ્ચય મોટામાં મોટી વસ્તુ છે. પોતાનો નિશ્ચય મજબૂત જોઈએ. એ નિશ્ચયને, મહીંથી ને મહીંથી વાત નીકળે ને છેતર છેતર કરે, ને પાછું અંદરથી જ સલાહ આપી આપીને નિશ્ચયને તોડી નાંખે. તે જ્યારે જ્યારે સલાહ આપવામાં આવે તો આપણે એનું સાંભળવું નહીં. તારે એવું આવે છે કોઈ દા’ડો ? (પા. ૯૫)પ્રશ્નકર્તા : બે મહિના પહેલાં એ બધામાંથી પસાર થઈ ગયો છું. દાદાશ્રી : હમણાં નથી થતું હવે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : ત્યારે સારું. અંદર તો બહુ ભારે ‘રેજિમેન્ટો’ બધી પડેલી છે, બહુ મોટી મોટી છે. આટલુંક જ સાચવશો જરાઅમારા વચનબળથી કેટલાંક માણસોને રેગ્યુલર થઈ જાય છે. અમારું વચનબળ ને તમારું અડગ નક્કીપણું, આ બે જ ગુણાકાર થાય તો વચ્ચે કોઈની તાકાત નથી કે એને ફેરવી શકે ! એવું આ અમારું વચનબળ છે. અમે તમને શું કહીએ છીએ કે તમે અડગ થાવ, તમે મોળા ના થશો. તમારો દ્રઢ નિશ્ચય હોવો જોઈએ કે દાદાની આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ મુખ્ય વસ્તુ છે. અમે બ્રહ્મચર્ય વ્રત કોઈને આપતાં નથી અને આપીએ છીએ તોય અમે કહીએ છીએ કે અમારું વચનબળ છે, જબરજસ્ત વચનબળ છે, તે કર્મના ઉદયને ફેરવી નાખે તેવું વચનબળ છે, પણ તારી સ્થિરતા જો ના તૂટી તો. તારે બહુ મજબૂતી પકડી રાખવી જોઈએ. જ્ઞાનીના વચનબળ સિવાય બીજું કોઈ આ કાર્ય કરી શકે તેમ નથી, એટલું બધું જ્ઞાનીનું વચનબળ હોય છે ! જ્ઞાનીનું મનોબળ ઓર જાતનું હોય છે ! કારણ કે જ્ઞાની પોતે વચનના માલિક નથી, મનના માલિક હોતા નથી. જે વચનના માલિક હોય, તેના વચનમાં બળ જ ના હોય. આખું જગત વચનનું માલિક થઈને બેઠું છે, તેમનાં વચનમાં બળ ના હોય. બળ તો, વાણી રેકર્ડની પેઠ નીકળી, તો એ વચનબળ કહેવાય. અમારું વચનબળનું કામ એવું કે બધું જ પાળવા દે, બધાં કર્મોને તોડી નાખે ! વચનબળમાં તો ગજબની શક્તિ છે, કે કામ કાઢી નાખે !! ‘પોતે જો સહેજ પણ ડગે નહીં તો કર્મ એને નહીં ડગાવી શકે !!! કર્મ ડગાવે તો, એને વચનબળ જ ના કહેવાય ને ? વીતરાગોએ વચનબળ (પા. ૯૬)અને મનોબળને તો ટોપમોસ્ટ કહ્યું છે, જ્યારે દેહબળને પાશવી બળ કહ્યું છે ! દેહબળ જોડે લેવાદેવા નથી, વચનબળ જોડે લેવાદેવા છે ! પ્રશ્નકર્તા : મનોબળ એટલે શું ? બ્રહ્મચર્ય માટે આમ પાકું થઈ જાય, ડગે નહીં, એને મનોબળ કહેવાય કે ? દાદાશ્રી : એ તો એક વાંદરો કૂદે, એટલે બીજોય પાછો કૂદે. એમ એક ફેરો જુએ પછી એ કૂદવાની હિંમત ધરાવે, એમ કરતું કરતું મનોબળ વધતું જાય; પણ જેણે જોયું જ ના હોય, તે શી રીતે કૂદે ? પ્રશ્નકર્તા : એટલે આ વાતો સાંભળીએ એટલે કૂદે ? દાદાશ્રી : પણ એ તો જોડે જોડે પોતાની મહીં ઇચ્છા હોય, પોતાની ભાવના એવી હોય ત્યારે એવી મજબૂતી થાય. પ્રશ્નકર્તા : ભાવના તો મારે એવી જ છે. દાદાશ્રી : તે એની મેળે જ મજબૂત થશે. એક બાજુ વાડ કરીએ ને પેલી બાજુની વાડમાં શિયાળવા કાણાં પાડે, તેને આપણે પૂરીએ નહીં ત્યારે શું થાય ? એ તો પાછળ બધાં ‘હોલ’ પૂરતા જવું જોઈએ ને ? અને નવી વાડ કરતા જવું પડે. ભાવના એવી મજબૂત હોય તો બધુંય થાય. પ્રશ્નકર્તા : પાછલાં હોલ પૂરવાનાં એટલે પ્રતિક્રમણ કરીને જ ને ? દાદાશ્રી : પ્રતિક્રમણ તો કરવાનાં જ, પણ હજુ નબળાઈઓ જવી જોઈએ ને ? મન મજબૂત હોવું જોઈએ ને ? એ બાજુ દ્રષ્ટિ પણ ના જાય એવું હોવું જોઈએ. મનમાં નક્કી કર્યું હોય કે આ બાજુ નથી જ જોવું એટલે ના જ જુએ એ ! પછી પાછળ ભૂતાંની પેઠ ગમે એટલી બૂમો પાડે તોય પણ એ બાજુ ના જ જુએ, એ ભડકે જ નહીં ને ! એવું મનોબળ દિવસે દિવસે કેળવાય ત્યારે ખરું! પ્રશ્નકર્તા : પેલી ઇચ્છા તો અંદરથી સહેજ પણ થતી નથી. દાદાશ્રી : એ તો એવું લાગે. બે દહાડા માટે એવું લાગે, પણ એ તો દસ વર્ષનું સરવૈયું ભેગું દેખીએ ત્યારે સાચી વાત ! (પા. ૯૭)પ્રશ્નકર્તા : એટલે આવું દસ વર્ષ રહેવું જોઈએ ?!!! દાદાશ્રી : દસ વર્ષ નહીં, ચૌદ વર્ષ રહેવું જોઈએ, રામ વનવાસ ગયા હતા એટલાં વર્ષ !! ચૌદ વર્ષ થયાં ત્યારે રામ મજબૂત થયા. એટલે તો આપણે કહીએ છીએ કે અમારી આજ્ઞા અને સાથે આ જ્ઞાનને સિન્સિયરલી એક્ઝેક્ટનેસમાં રાખે તો અગિયાર વર્ષે ને કાં તો ચૌદ વર્ષે પૂર્ણાહુતિ થાય. ક્યાંક પોલ ‘પોષાતી’ તો નથી ને ?પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય ‘સ્વભાવમાં હોવું’ એટલે શું ? દાદાશ્રી : બ્રહ્મચર્ય ‘સ્વભાવમાં રહેવું’ એ શબ્દ ક્યાંથી લાવ્યો તું ? આત્મા સ્વભાવથી જ બ્રહ્મચારી છે, આત્માને બ્રહ્મચારી થવાની જરૂર નથી. પ્રશ્નકર્તા : આપે પેલી વાત કરેલી કે જે પૂર્વે ભાવના ભાવેલી હોય, અત્યારે એને ઉદયમાં આવેલું હોય, તે બ્રહ્મચર્ય પાળે. દાદાશ્રી : એ તો જે ભાવના આગળ આવેલી હોય, જે આગળ ‘પ્રોજેક્ટ’ કર્યું હોય, એ પ્રમાણે અત્યારે ઉદય આવે. તે આ જૈનના છોકરા-છોકરીઓ જે દીક્ષા લે છે, તે જોયું હતું કે ? વીસ વર્ષનો છોકરો હોય છે, ભણેલો હોય છે, શ્રીમંત હોય છે, તે દીક્ષા લે છે. એનું કારણ શું ? ગયા અવતારોમાં એમણે બીજા સાધુ-સાધ્વીઓના સંગથી એવી ભાવનાઓ ભાવેલી અને જૈનોનો રિવાજ એવો છે કે પોતાનો છોકરો કે છોકરી આવી દીક્ષા લે તો બહુ આનંદ પામે, ‘ઓહોહો ! એના આત્માનું કલ્યાણ કરે છે. આપણને તો મોહ છે અને એને મોહ ઊડી ગયો છે.’ એટલે એ લોકો તો છોકરાને હેલ્પ કરે ! જ્યારે આપણા લોકો તો હેલ્પ કરે નહીં. આપણે તો છોકરો જો જતો રહેશે ને મારું નામ ઊડી જશે, એવું કહેશે ! પણ આપણામાંય પૂર્વે ભાવના ભાવેલી હોય ત્યારે તો ‘મારે બ્રહ્મચર્ય પાળવું છે’ એવું સ્ટ્રોંગ બોલે, નહીં તો મહીં અદબદ થાય. શું થાય ? પ્રશ્નકર્તા : ડગમગ થાય. (પા. ૯૮)દાદાશ્રી : હા, ડગમગ થાય ને, કે આમ કરું કે તેમ કરું. ઘડીકમાં વિચાર બદલાય ને ઘડીકમાં વિચાર થાય. તારો વિચાર બદલાઈ જાય છે, કો’ક ફેરો ? પ્રશ્નકર્તા : નથી બદલાતો. દાદાશ્રી : કેટલા વખતથી નથી બદલાતો ? પ્રશ્નકર્તા : ચાર મહિનાથી. દાદાશ્રી : ચાર મહિના ? એટલે કંઈ આ છોડવો હજુ મોટો ના કહેવાય ને ? એને આવડો નાનો છોડવો કહેવાય. એ તો ગાયના પગ નીચે આવે તોય દબાઈ જાય. પ્રશ્નકર્તા : કોઈને બ્રહ્મચર્ય માટે નિશ્ચય ડગુમગુ થાય, એ એની પૂર્વની ભાવના એવી હશે, એટલે ? દાદાશ્રી : ના, એવું નહીં, આ નિશ્ચય છે જ નહીં એનો. આ પહેલાંનો પ્રોજેક્ટ નથી અને આ જે નિશ્ચય કર્યો છે, એ લોકોનું જોઈને કર્યો છે. આ ખાલી દેખાદેખી છે એટલે ડગમગ થયા કરે છે, એના કરતાં શાદી કરને ભાઈ, શી ખોટ જવાની છે ? કોઈ છોકરી ઠેકાણે પડશે ! અને જે શાદી કરે, તેની જવાબદારી છે ને ? ના કરે તો જવાબદારી છે કંઈ એની ? બીજાએ શાદી કરી હોય ને તારે જવાબદારી આવે ? ભાર જેટલો ઊંચકાય તેટલો ઊંચકો, બે સ્ત્રીઓ કરવી હોય તો બે કરો. ભાર ઊંચકાવો જોઈએને આપણાથી ? અને ભાર ન ઊંચકાય તો એમ ને એમ કુંવારા રહો, બ્રહ્મચારી રહો; પણ બ્રહ્મચર્ય પળાવું જોઈએ ને ?! ન ચાલે અપવાદ બ્રહ્મચર્યમાંઆ ભઈ ખરું કહે છે કે આ ડગુમગુ થતું હોય, તેનો શો અર્થ ?! એ ડગુમગુ થાય છે, એનું કારણ જ એટલું છે કે આજના આ બધાના હિસાબે આપણે કરવા જઈએ છીએ, દોડીએ છીએ અને દોડાતું તો છે નહીં, પાછું થોડીવાર બેસી રહેવું પડે છે. શું? (પા. ૯૯)પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યનું વ્રત લીધા પછી કોઈનું ડગુમગુ થતું હોય તો ? દાદાશ્રી : ડગમગવાળાથી વ્રત લેવાય પણ નહીં અને વ્રત લે તો એમાં ભલીવાર આવેય નહીં. ડગુમગુ થાય છે, તે આપણે ના સમજીએ કે ‘કમિંગ ઇવેન્ટસ કાસ્ટ ધેર શેડોઝ બીફોર ?!’ બ્રહ્મચર્યમાં અપવાદ રખાય એવી વસ્તુ નથી. કારણ કે માણસનું મન પોલ ખોળે છે, કોઈ જગ્યાએ આવડું અમથું કાણું હોય તો તેને મન મોટું કરી આપે ! પ્રશ્નકર્તા : આ પોલ ખોળી કાઢે, એમાં કઈ વૃત્તિ કામ કરે છે ? દાદાશ્રી : એ મન જ કામ કરે છે, વૃત્તિ નહીં. મનનો સ્વભાવ જ એવો પોલ ખોળવાનો છે. પ્રશ્નકર્તા : મન પોલ મારતું હોય તો, એને કઈ રીતે અટકાવવું? દાદાશ્રી : નિશ્ચયથી. નિશ્ચય હોય તો પોલ મારે શી રીતે તે ? આપણો નિશ્ચય છે, તો કોઈ પોલ મારે જ નહીં ને ? જેને ‘માંસાહાર નથી ખાવું’ એવો નિશ્ચય છે, એ નથી જ ખાતો. પ્રશ્નકર્તા : એટલે દરેક બાબતમાં નિશ્ચય કરી રાખવા ? દાદાશ્રી : નિશ્ચયથી જ બધું કામ થાય છે. પ્રશ્નકર્તા : આપ જો નિશ્ચયનો આટલો બધો ભાર મૂકો છો, તો એ ‘ક્રમિકમાર્ગ’ ના કહેવાય ? દાદાશ્રી : ના, ક્રમિકને લેવાદેવા નહીં ને ! આત્મા પ્રાપ્ત થયા પછી ક્રમિક ક્યાંથી આવ્યું ? ક્રમિક તો આત્મા પ્રાપ્ત ના કર્યો હોય, ત્યાં સુધીના ભાગને ક્રમિક કહેવાય છે. આત્મા પ્રાપ્ત કર્યા પછી ક્રમિક હોતું જ નથી. પ્રશ્નકર્તા : આત્મા પ્રાપ્ત કર્યા પછી નિશ્ચયબળ રાખવું પડે? દાદાશ્રી : પોતાને રાખવાનું જ નથી ને ?! આપણે તો ‘ચંદ્રેશ’ને કહેવાનું કે તમે બરાબર નિશ્ચય રાખો. (પા. ૧૦૦)આ વાતના પ્રશ્નો પૂછવાના થાય તો એ પોલ ખોળે છે. માટે આ પ્રશ્નો પૂછવાના થાય ત્યારે એને ‘ચૂપ’ કહીએ, ‘ગેટ આઉટ’ કહીએ, એટલે એ ચૂપ થઈ જાય. ‘ગેટ આઉટ’ કહેતાંની સાથે જ બધું ભાગી જાય. પુરુષાર્થ જ નહીં, પણ પરાક્રમે પહોંચોદાદાશ્રી : તારે શું થાય છે ? પ્રશ્નકર્તા : દિવસમાં એવો એવિડન્સ બાઝે તો વિષયની એકાદ ગાંઠ ફૂટી જાય, પણ પાછું તરત થ્રી વિઝન આમ મૂકી દઉં. દાદાશ્રી : નદીમાં તો એક જ ફેરો ડૂબ્યો કે મરી જાય ને? કે રોજ રોજ ડૂબે તો મરી જાય ? નદીમાં એક ફેરો જ ડૂબી મરે, પછી વાંધો છે ? નદીને ખોટ જવાની છે કંઈ ? પ્રશ્નકર્તા : નદીને શી ખોટ જાય ? દાદાશ્રી : ત્યારે ખોટ કોને જાય ? પ્રશ્નકર્તા : જે મર્યો, એને જાય. દાદાશ્રી : એમ ? ત્યારે તું કહું છું ને, કે હજી તો મારે વિષયની ગાંઠ ફૂટે છે ? પ્રશ્નકર્તા : આનું કારણ શું ? દાદાશ્રી : એ તો તારે શોધી કાઢવાનું. એક તો આજ્ઞામાં રહેતા નથી અને કારણ પૂછો છો ?! શાસ્ત્રકારોએ તો એક જ વખતના અબ્રહ્મચર્યને મરણ કહ્યું છે. બ્રહ્મચારીને માટે શું કહ્યું છે, કે એક વખત અબ્રહ્મચર્ય થાય એના કરતાં મરણ સારું. મરી જજે, પણ અબ્રહ્મચર્ય ના થવા દઈશ. નર્કમાં જેટલો ગંદવાડો નથી એટલો વિષયમાં ગંદવાડો છે, પણ આ જીવને બેભાનપણામાં સમજાતું નથી. જ્ઞાની પુરુષ એકલા ભાનમાં (પા. ૧૦૧)હોય, તે એમને આ ગંદવાડો આરપાર દેખાય. જેને દ્રષ્ટિ આટલી બધી કેળવાયેલી, તેને રાગ કેમ ઉત્પન્ન થાય? કર્મનો ઉદય આવે ને જાગૃતિ ના રહેતી હોય ત્યારે જ્ઞાનનાં વાક્યો મોટેથી બોલીને જાગૃતિ લાવે અને કર્મોની સામો થાય, એ બધું પરાક્રમ કહેવાય. સ્વ-વીર્યને સ્ફૂરાયમાન કરવું એ પરાક્રમ. પરાક્રમ આગળ કોઈની તાકાત નથી. પ્રશ્નકર્તા : બહુ ‘એટેક’ આવે તો હાલી જાય છે. દાદાશ્રી : એનું નામ જ આપણો નિશ્ચય કાચો છે. નિશ્ચય કાચો ના પડે, એ આપણે જોવાનું છે. ‘એટેક’ તો સંજોગ હોય એટલે આવે. આ ગંધ આવે તો એની અસર થયા વગર રહે નહીં ને ? એટલે આપણો નિશ્ચય જોઈએ કે મારે એને અડવા દેવું નથી. નિશ્ચય હોય તો કશું થાય નહીં. જ્યાં નિશ્ચય છે ત્યાં બધું જ છે. અહીં પુરુષાર્થનું બળ છે. આત્મા થયા પછી પુરુષાર્થ થયો, તેનું આ બળ છે, એ બહુ ગજબનું બળ છે. છતાં અમે શું કહીએ છીએ કે આપણામાં નબળાઈ છે તે જાણવું, પણ એની સામે શૂરાતન હોવું ઘટે, તો જ્યારે ત્યારે એ નબળાઈ જશે. શૂરાતન હશે તો એક દહાડો જીતી જશે, પણ પોતાને નિરંતર ખૂંચવું જોઈએ કે આ ખોટું છે. મુસલમાનોય એટલું તો જોર કરે છે વગર જ્ઞાને કે, ‘અરે યાર જાને દે, હિંમતે મર્દા તો મદદે ખુદા’; જ્યારે આપણને તો જ્ઞાન હોય તો સમજણ ના પડે ? ‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ એવું બોલેને, તો શૂરાતન ચઢી જાય એને તો. આપણું તો આ વિજ્ઞાન છે. વિજ્ઞાનીને તો હિંમત ના હોય એવું બને જ કેમ કરીને ?! અમને તો આટલું કોઈ કહેનાર જ નહોતું મળ્યું. તમે તો બહુ પુણ્યશાળી છો કે તમને તો જ્ઞાની પુરુષ મળ્યા છે, નહીં તો લોક તો અવળે રસ્તે ચઢાવનારા મળે. નિશ્ચય માંગે સિન્સીયારિટીઅત્યારે તો ઉંમર નાની ને, તે મોહનીય પરિણામ હજુ આવ્યાં નથી. પેલા કર્મના ઉદય એ તો આવેલાં જ નહીં ને ? એટલે અત્યારથી આપણે આ ગોઠવી રાખેલું હોય તો કશી ભાંજગડ ના આવે. આ જ્ઞાન, આ નિશ્ચય (પા. ૧૦૨)બધું આપણે એવું ગોઠવી રાખીએ કે આ મોહનીય પરિણામમાંય આપણને ડગાવે નહીં. આ કાળની બહુ વિચિત્રતા છે કે આ કાળના લોકો બધા મહા મોહનીયવાળા છે. માટે તેમને મોઢે ‘કેમ છો ?’ બોલવું. પણ એમની જોડે આંખ પણ ના માંડવી, આંખ મીલાવીને વાતચીત પણ ના કરવી. આ કાળની વિચિત્રતા છે, તેથી કહીએ છીએ. કારણ કે આ એક જ વિષયરસ એવો છે કે સર્વસ્વ ખોવડાવી નાખે તેમ છે. અબ્રહ્મચર્ય એકલું જ મહા મુશ્કેલીવાળું છે, નહીં તો સવારના પહોરમાં નક્કી કરી નાખવું કે આ જગતની કોઈ પણ ચીજ મને ખપતી નથી, પછી તેને સિન્સીયર રહેવું. મહીં તો બહુ લબાડો છે કે જે સિન્સીયર ના રહેવા દે, પણ જો એને સિન્સીયર રહે તો પછી એને કોઈ ચીજ નડતી નથી. જેટલો તું સિન્સીયર એટલી તારી જાગૃતિ. આ તને સૂત્રરૂપે અમે આપીએ છીએ ને નાનો છોકરોય સમજે એવું ફોડવાર પણ આપીએ છીએ. પણ જે જેટલો સિન્સીયર, એની એટલી જાગૃતિ. આ તો સાયન્સ છે. જેટલી આમાં સિન્સીયારિટી એટલું જ પોતાનું થાય અને આ સિન્સીયારિટી તો ઠેઠ મોક્ષ ભણી લઈ જાય. સિન્સીયારિટીનું ફળ મોરાલિટીમાં આવી જાય. જે થોડો થોડો સિન્સીયર હોય અને જો એ સિન્સીયારિટીના પથ પર ચાલ્યો, એ રોડ ઉપર ચાલ્યો, તો એ મોરલ થઈ જાય. સંપૂર્ણ મોરલ થઈ ગયો, એટલે પરમાત્મા પ્રાપ્ત થવાની તૈયારી થઈ ગઈ, એટલે પહેલા સિન્સીયારિટી જોઈએ. મોરાલિટી તો પછી આવે. એક વખત તું સિન્સીયર થા. જેટલી વસ્તુને તું સિન્સીયર, એટલી એ વસ્તુ જીત્યા અને જેટલી વસ્તુને અનસિન્સીયર, એટલી જીત્યા નથી. એટલે બધે સિન્સીયર થાઓ તો તમે જીતી જશો ! આ જગત જીતવાનું છે. જગત જીતશો તો મોક્ષે જવાશે. જગત જીત્યા સિવાય કોઈ મોક્ષે જવા દેશે નહીં. ‘રીજ પોઈન્ટે’ પડેલાં જોખમો જોપ્રશ્નકર્તા : તે દિવસે આપ કંઈ કહેતા હતા કે જવાનીમાંય ‘રીજ પોઈન્ટ’ હોય છે, તો એ ‘રીજ પોઈન્ટ’ શું છે ? (પા. ૧૦૩)દાદાશ્રી : ‘રીજ પોઈન્ટ’ એટલે આ છાપરું હોય છે, તે એમાં ‘રીજ પોઈન્ટ’ ક્યાં આગળ આવ્યું ? ટોચ ઉપર. દરેક વસ્તુનું ઉદયાસ્ત હોય છે, ઉદય ને અસ્ત. કર્મોનોય ને બધાનોય, ઉદય ને અસ્ત હોય છે. સૂર્યનારાયણને પણ ઉદય-અસ્ત હોય છે કે નથી હોતો ? એ જ્યારે સેન્ટરમાં હોય છે, તેના કરતાં ઉદય થાય ત્યારે નીચે હોય અને અસ્ત થાય ત્યારે પણ નીચે હોય અને વચ્ચે જ્યારે બહુ ટોપ ઉપર જાય ત્યારે એ ‘રીજ પોઈન્ટ’ કહેવાય. એવી રીતે દરેક કર્મ ‘રીજ પોઈન્ટ’ ઉપર પહોંચે ને પછી ઊતરી જાય. તેમ યુવાનીનો ઉદય અને યુવાનીનો અસ્ત હોય છે. યુવાની જ્યારે ‘રીજ પોઈન્ટ’ ઉપર જાય એ વખતે જ બધું પાડી નાખે. એમાંથી એ ‘પાસ’ થઈ ગયો, પસાર થઈ ગયો તો જીત્યો. અમે તો બધુંય સાચવી લઈએ, પણ એનું જો પોતાનું મન ફેરફાર થાય તો પછી ઉપાય નથી. એટલા માટે અમે એને અત્યારે ઉદય થતાં પહેલાં શીખવાડીએ કે ભઈ, નીચું જોઈને ચાલજો. સ્ત્રીને જોશો નહીં, બીજું બધું ભજિયાં-જલેબી જો જો. આ તમારે માટે ગેરેન્ટી ના અપાય. કારણ કે યુવાની છે. યુવાની ‘રીજ પોઈન્ટ’ પર ચઢે ત્યારે પછી શાં પરિણામ આવે, એ શું કહેવાય ? જો કે અમારા પ્રોટેકશનમાં કશું બગડે નહીં, પણ સેંકડે પાંચ ટકા બગડીય જાય. એવા નીકળે કે ના નીકળે ? પ્રશ્નકર્તા : એટલે અમે અમારું ‘રીજ પોઈન્ટ’ ક્રોસ કરી જઈએ, ત્યાં સુધી એકદમ જાગૃતિ રાખવાની ? દાદાશ્રી : ‘રીજ પોઈન્ટ’ થતાં થતાં તો બહુ ટાઈમ લાગે. ‘રીજ પોઈન્ટ’ આવે તો તો બહુ થઈ ગયું ! તોય પણ આનો ભય તો ઠેઠ સુધી રાખવા જેવો છે. પછી એની મેળે સેફસાઈડ થયેલી આપણને માલમ પડશે. પ્રશ્નકર્તા : ક્રોધ-માન-માયા-લોભને ત્રણ વર્ષ ખોરાક ના મળે તો તે ભૂગર્ભમાં જતાં રહે, એવું આ વિષયોમાં ખરું કે નહીં ? દાદાશ્રી : આમાં તો એવું હોય જ નહીં. આમાં ‘નો’ અપવાદ ! બીજા બધામાં અપવાદ, પણ આમાં તો અપવાદ જ નહીં. બ્રહ્મચર્ય માટે અમારા તરફથી તમારા માટે પૂરું બળ છે, તમારી (પા. ૧૦૪)પ્રતિજ્ઞા મજબૂત, સુંદર જોઈએ. તમારી પ્રતિજ્ઞા, ઘડભાંજ વગરની, લાલચ વગરની, દુશ્મનાવટ વગરની હોવી જોઈએ. દ્રઢ નિશ્ચયી પહોંચી શકેપ્રશ્નકર્તા : આપ જ્યારે આ બતાડોને, પોતાને ના દેખાતું હોય તો આપણે કહેવાનું ઊલ્ટું કે ‘તારામાં આવું છે તો જ દાદા કહેને.’ એટલે દેખાય. દાદાશ્રી : આ કહું છું, તે બીજ નાખું છું. પ્રશ્નકર્તા : તોય આલોચના જ્યારથી મેં આપી છે ને ત્યારથી નિશ્ચય ઘણો સ્ટ્રોંગ થઈ ગયો છે. દાદાશ્રી : એ નિશ્ચય સ્ટ્રોંગ ના કહેવાય, નિશ્ચય તો કડક થયેલો હોય ત્યારે હું કહું એ. મનથી નિશ્ચય કરે એકલો ચાલે નહીં, નિશ્ચય વ્યવહારમાંય પણ નિશ્ચય હોવો જોઈએ. દાદાશ્રી : બ્રહ્મચર્યનો કોર્સ પૂરો કરીશ ? પ્રશ્નકર્તા : ચોક્કસ. પેલું તો જોઈએ જ નહીં હવે. વિષયનો વિચાર ના ગમે, એવું પણ જે ગમતાપણાની બિલીફ છે ને એ રહ્યા કરે હજુ. એના પ્રત્યે જે ગમતાપણું, એ રહ્યા કરે અંદર હજુ. દાદાશ્રી : અને અણગમો પણ ખરો ? પ્રશ્નકર્તા : જેટલો ગમો છે, એનાથી વધારે અણગમો રહ્યા કરે. દાદાશ્રી : પણ તેં નક્કી શું કર્યું છે ? પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યનો નિશ્ચય વર્તે આમ, પણ પુરુષાર્થમાં કચાશ પડી જાય, તો એના માટે શું કરવું ? દાદાશ્રી : એ પુરુષાર્થમાં કચાશ નહીં, નિશ્ચય એ જ પુરુષાર્થ. પ્રશ્નકર્તા : નિશ્ચય હોય એટલે પેલી વસ્તુ રહે જ પછી. દાદાશ્રી : તે ડિસ્ચાર્જમાં કચાશ હોય છે. કચાશ હોય એ ડિસ્ચાર્જમાં હોય, ચાર્જમાં ના હોય અને તે ડિસ્ચાર્જમાં હોય, તેની કિંમત નહીં. (પા. ૧૦૫)પ્રશ્નકર્તા : વિષયની બાબતમાં તો પહેલેથી સ્ટ્રોંગ રાખેલું છે અને હજુ પણ એ બાબતમાં વધારે જાગૃતિ રાખેલી છે છેક સુધી, પણ આ જે બીજા જે સંસારમાં પ્રસંગો બને ને... દાદાશ્રી : બીજાનું કશું નહીં, બીજાની કિંમત જ નહીં. કિંમત જ આની છે, બ્રહ્મચર્યની, બીજા બધા મનુષ્યના દેહમાં પશુ છે ! પાશવતાનો દોષ છે. બીજાની કિંમત જ નહીં. પ્રશ્નકર્તા : બાકી વિષયમાં તો એટલે સુધી નક્કી છે કે હવે જો થાય તો ચંદ્રેશને ખલાસ કરી નાખું, પણ હવે તો આ ના જ જોઈએ. દાદાશ્રી : તો બ્રહ્મચર્યનું સારું કહેવાય. એ સમજૂતી જોઈએ. બાકી હેવાનિયત હોય, તે તો અટકે નહીં ને ! અધૂરી સમજણ, ત્યાં નિશ્ચય કાચોપ્રશ્નકર્તા : આપે નિશ્ચય માટે વધારે ભાર મૂક્યો છે. તો નિશ્ચય માટે શું હોવું ઘટે, બ્રહ્મચારીઓને ? દાદાશ્રી : નિશ્ચય એટલે શું ? કે બધા વિચારોને બંધ કરી દઈને એક જ વિચાર પર આવી જવું, કે આપણે અહીંથી સ્ટેશને જવું છે જ. સ્ટેશનથી ગાડીમાં જ બેસવું છે. આપણે બસમાં નહીં જવું. એટલે પછી બધા એવા સંજોગો ભેગાં થાય, તમારો નિશ્ચય હોય તો. નિશ્ચય કાચો હોય તો સંજોગ ના ભેગા થાય. પ્રશ્નકર્તા : હા, એ નિશ્ચય કાચો પડે એટલે એક્ચ્યુઅલ નિશ્ચય માટે શું હોવું જોઈએ ? કારણ કે આ કાળ જ એવો છે કે નિશ્ચય ફેરવી નાખે. દાદાશ્રી : એ ફરે, એને આપણે પાછું ફરી ફેરવવું. એ ફરે ને આપણે ફરી ફેરવવું. પણ કાળ કે બધું જ છે, તે આપણને નહીં પહોંચી વળે. કારણ કે આપણે પુરુષ જાતિ છીએ. બીજી બધી જાતિઓ જુદી છે. એટલે આ આપણને પુરુષ જાતિને નહીં પહોંચી શકે. (પા. ૧૦૬)પ્રશ્નકર્તા : પણ આપણે આમ ફેરવ ફેરવ કરીએ, એના કરતાં એક્ઝેક્ટ સમજી લઈએ તો ફરે જ નહીં ને, નિશ્ચય. દાદાશ્રી : ના. સમજી લેવું, તેની તો વાત જ જુદી. સમજ્યા વગરનું કશું કરવાનું હોય જ નહીં ને ? પણ એટલી બધી સમજણ પડવી મુશ્કેલ છે, એના કરતાં નિશ્ચય લઈને ચાલવું. પ્રશ્નકર્તા : આપે એવું કીધેલું છે કે આ અબ્રહ્મચર્ય એ સમજથી જ ઊડે એવું છે, બીજી કોઈ વસ્તુથી ઊડે એવું છે નહીં. દાદાશ્રી : સમજથી હોય તો એ વિચારતાં જ ચિતરી ચડે એવું છે. પણ નથી ચિતરી ચડતી ને કેમ રાગ થાય છે, ભાવ થાય છે, એ બાજુનો ? કારણ કે હજુ સમજ્યો નથી બરાબર. પ્રશ્નકર્તા : એટલે એ સમજ નથી એટલે એનો નિશ્ચય પણ એટલો બરાબર નથી. દાદાશ્રી : હા, પણ સમજણ આવવી એ જરા વાર લાગે એવી છે. સમજવા ઊતરે તો ઊતરે એવું છે, સમજાય એવું છે. સમજમાં આવે ત્યારે તો નિશ્ચય-બિશ્ચય કશું કરવાનું રહ્યું નહીં. કેમ ગાડીઓને નથી અથડાતો ?વિષયનો સ્વભાવ શું છે ? જેટલો સ્ટ્રોંગ એટલા વિષય ઓછાં. એમાં જેટલો નબળો એટલા વિષય વધ્યા. જે સાવ નબળો હોય, તેને બહુ વિષય હોય. એટલે નબળાને ફરી ઊંચો જ ના આવવા દે એટલા બધા વિષય વળગ્યા હોય અને જબરાને અડે જ નહીં. પ્રશ્નકર્તા : એ નબળાઈ શેનાં આધારે ટકી રહી છે ? દાદાશ્રી : પોતાની મહીં એમાં પ્રતિજ્ઞા ના હોય, પોતાની કોઈ દહાડોય સ્થિરતા ના હોય એટલે એ લપસતો જાય. લપસતો, લપસતો ખલાસ થઈ જાય. બ્રહ્મચર્ય તૂટે તો ઝેર ખાઈને માવજત કરજે, કહે છે, પણ બ્રહ્મચર્ય તોડીશ નહીં, એ ક્રમિક જ્ઞાનમાં આવે. (પા. ૧૦૭)પ્રશ્નકર્તા : ધ્યેય ઉપર પહોંચવું હોય તો અક્રમ માર્ગમાં પણ નિશ્ચય તો આવો જ રાખવો પડે ને ? દાદાશ્રી : નિશ્ચય મજબૂત રાખવાનો, જબરજસ્ત નિશ્ચય મજબૂત જોઈએ. તારું કંઈ રાગે પડશે, લખીને આપવાનો છું ? એમ ! તો સ્ટ્રોંગ રહો. કેમ આટલી બધી ગાડીઓમાં અથડાતો નથી ? સામો અથડાવા ફરે તોય નહીં અથડાવું એવો નિશ્ચય કર્યો છે ને તો કેવો નીકળી જાય છે ને, અથડાતો નહીં ને ? પ્રશ્નકર્તા : ના... દાદાશ્રી : આટલાં સારુ રહી જાય છે ને ! અથડામણ ચાર આંગળ માટે રહી જાય છે ને ? રસ્તામાં ગાડી-બાડીઓને બધાને ! પ્રશ્નકર્તા : એ તો આમ થવાની હોય, તો પોતે ઝડપથી ખસી જાય. ગાડી અથડાઈ પડવાની હોયને, તો પોતે ઝડપથી ખસી જાય. દાદાશ્રી : એટલે આ બધું આમ તમારો નિશ્ચય હોયને તો કશુંય થાય નહીં. દાનત ચોર, ત્યાં નહીં નિશ્ચય...પ્રશ્નકર્તા : દાનત ચોર હોવી એ નિશ્ચયની કચાશ કહેવાય ? દાદાશ્રી : કચાશ ના કહેવાય, આ નિશ્ચય જ નહીં. કચાશ તો નીકળી જાય બધી, પણ એ તો નિશ્ચય જ નથી. પ્રશ્નકર્તા : પણ આમ દાનત થોડીક થોડીક ચોર હોય કે આખી ચોર હોય, એવો ફેર હશે ને એમાં ? દાદાશ્રી : ચોર થઈ એટલે આખો જ ચોર. થોડીક ચોર શા માટે ? આપણે મકાન બાંધવું હોય તો બારણાં પહેલેથી નકશામાં સુધારી લેવાં, બે બારીઓ જોઈશે, અમારે. પછી ચોરીઓ કરવી એ સારું કહેવાય ? (પા. ૧૦૮)વિચાર કેમ આવે સહેજ પણ ? અબ્રહ્મચર્યનો વિચાર કેમ આવવો જોઈએ ? મેં તમને શું કહ્યું, ઊગતાં પહેલાં ઉખેડીને ફેંકી દેવું, નહીં તો આના જેવું જોખમ કોઈ નહીં. પ્રશ્નકર્તા : દાદાએ એક-બે વાર ટકોર કરી, ચોર દાનત માટે, પણ હજુ વાત બરાબર પકડાતી નથી એમ. દાદાશ્રી : પકડીને શું કામ છે તે ? જેમ લાતો વાગશે, મહીં લ્હાય બળશેને, તો એની મેળે પકડાશે. હવે તો અનુભવ શરૂ થશે ને ! પહેલી પરીક્ષા આપે અને પછી અનુભવ શરૂ થાય ને ! પ્રશ્નકર્તા : દાનત ચોર ન હોય, તો પછી વિચાર બિલકુલ આવતો બંધ થઈ જાય ? દાદાશ્રી : ના, છો ને વિચાર આવતો. વિચાર આવે એમાં આપણે શું વાંધો છે ? વિચાર બંધ ના થઈ જાય. દાનત ચોર ના જોઈએ, મહીં ગમે તેવી લાલચનેય ગાંઠે નહીં, સ્ટ્રોંગ ! વિચાર જ કેમ આવે તે ? પ્રશ્નકર્તા : હજુ થોડી દાનત ચોર ખરી. દાદાશ્રી : ચોર દાનત હોય, તેય પોતે જાણે. પ્રશ્નકર્તા : પછી કોઈ વાર વિચારો બહુ ફૂટે એ ? દાદાશ્રી : વિચારો છો ને લાખ ઘણાય ફૂટે તોય... પ્રશ્નકર્તા : પછી આપણને જે અંદર સુખ હોય, એ ઓછું થઈ જાય. દાદાશ્રી : એ સુખ ઓછું થાય તો તે તપે, લાલ-લાલ થઈ જાય. એ તો તે ઘડીએ તપ કરવું પડે ને ? સુખ ઓછું થાય માટે દુઃખ વહોરવું ? પ્રશ્નકર્તા : એટલે મેં પૂછયું કે એ ‘દાનત ચોર’ છે એટલે થાય છે. દાદાશ્રી : દાનત ચોર નહીં. આમાં તો ક્ષત્રિયપણું જોઈએ, ક્ષત્રિયપણું ! ચિત્તોડના રાણા શું કહેતા હતા ? નહીં નમવાનો, નહીં જ નમવાનો. તે રાજ-પાટ છોડ્યું પણ નમ્યો નહીં. નાસી ગયો પણ નમ્યો (પા. ૧૦૯)નહીં. નહીં તો બાદશાહે કહી દીધું જો તમે નમો, તો આ પછી આ ગાદી ઉપર બેસી જાવ. ત્યારે કહે, ‘ના. મારે એવી ગાદી ના જોઈએ. હું ચિત્તોડનો રાણો નહીં નમું.’ પ્રશ્નકર્તા : હજી પ્રકૃતિ હેરાન કરે છે. પણ મહીં ખરું લાલ-લાલ થાય ત્યારે જ ખરો દાદાનો અનુભવ થાય છે. દાદાશ્રી : એ તપ પૂરું કરવું પડે. પછી પેલો પાર વગરનો આનંદ રહે. એ વાડ કૂદયો કે પછી પાર વગરનો આનંદ. વિષયના વિષ કેમ પરખાતાં નથી ?પ્રશ્નકર્તા : તો એવું ખરું, વિષય સમજણથી જાય ? જેમ સમજણ વધતી જાય એમ વિષય જતો રહે ! દાદાશ્રી : સમજણથી જ જતો રહે. આ સાપ ઝેરી હોય ને કૈડે કે તરત મરી જાય. એવી જો સમજણ બેસી ગઈને, પછી એ ઝેરી નાગથી છેટો જ રહે. એવું આમાં સમજણ બેસી જવી જોઈએ. પ્રશ્નકર્તા : હા. પણ એ સમજમાં કેમ આવતું નથી ? દાદાશ્રી : અનાદિકાળનું આરાધેલું છે ને, એ જ સત્ય માનેલું છે ને. પ્રશ્નકર્તા : એ બરાબર છે, પણ એ આરાધેલું ને અત્યારનું જ્ઞાન, એમાં હજી કેમ યુદ્ધ ચાલ્યા કરે છે ? દાદાશ્રી : વિગતવાર વિચારવાની પોતાની શક્તિ જ નથી ને ! પ્રશ્નકર્તા : શક્તિ નથી કે એની ઈચ્છા નથી ? દાદાશ્રી : ના, શક્તિ નથી. ઇચ્છા તો છે બધી. પ્રશ્નકર્તા : હવે મને એવું લાગે છે કે શક્તિ તો છે જ. દાદાશ્રી : અને શક્તિ બધી હોય છે તો ખરી જ, પણ એ ઉત્પન્ન થયેલી નથી ને ?! (પા. ૧૧૦)પ્રશ્નકર્તા : તો એ શક્તિ ઉત્પન્ન કેવી રીતે થાય ? દાદાશ્રી : એ તો રાત-દહાડો એના વિચાર હોય, એની પર વિચારણા કર કર કર્યા કરે અને એમાં કેટલું આરાધવા યોગ્ય છે ને કેટલું એ કરવા યોગ્ય છે, તરત આપણને મહીં જેમ જેમ વિચારે ચડે ને, તેમ ખૂલ્લું થતું જાય. પ્રશ્નકર્તા : એટલે એનો મિનિંગ એવો જ થયો કે આ કોઈ પણ હિસાબે આ વ્યવહાર ઉડાડી દેવો જોઈએ. દાદાશ્રી : તેથી પેલા થ્રી વિઝન વાપરે ને ? અને વિચારેલું હોય તો થ્રી વિઝનેય વાપરવું ન પડે. પ્રશ્નકર્તા : દિવસ દરમ્યાનનાં જે વ્યવહારો છે, એ વ્યવહાર ફરજિયાત છે. એ જ એને પ્રગતિમાં અંતરાયરૂપ છેને અત્યારે, કારણ કે એને વિચારવાનો ટાઈમ જ મળતો નથી. દાદાશ્રી : એટલે આના કરતાં સૌથી સારામાં સારું એ, કે આપણે દ્રષ્ટિ કોઈ જગ્યાએ ચોંટી, તો ઉખેડી નાખવી ને પ્રતિક્રમણ કરી નાખવું, બસ. પ્રશ્નકર્તા : એ પછી મન ક્યાં સુધી એ એક જ સિદ્ધાંત ઉપર ચાલે ? મન એક સિદ્ધાંત ઉપર કન્ટીન્યુઅસ નથી ચાલતું. વારેઘડીએ દ્રષ્ટિ બગડે ને પ્રતિક્રમણ કરવું કે આમ કરવું, એ સિદ્ધાંત કન્ટીન્યુઅસ નથી ચાલતો. થ્રી વિઝન પણ એટ એ ટાઈમ નથી ચાલતું. કન્ટીન્યુઅસ રહેવું જોઈએ અને વિગતવાર એને સમાધાન થાય તો એ આગળ આવે છે. દાદાશ્રી : એ વિગતવારેય સપ્લાય કરવું પડે. આપણાથી બને ત્યાં સુધી પહેલું તો આ ઉખેડી નાખવું, આ ફટ કે ચાલ્યું. પોતાના ખેતરમાં બધું જ જે કપાસ વાવ્યો છે એટલે કપાસને ઓળખીએ કે જો આ કપાસ છે. એટલે બીજું ઊગ્યું એ માત્ર કાઢી નાખવાનું. એને નીંદવાનું કહે છે. એમ નીંદી નાખીએ તે થઈ રહ્યું. બધું ઊગતાં જ દાબી નાખ્યું. તે થઈ રહ્યું. એ પહેલાં દાબી શકાય એવું છે નહીં. ઊગે નહીં ત્યાં સુધી બીજ ખબર પડે નહીં, ઊગતા જ ઓળખી ગયા કે આ બીજ જુદું છે. (પા. ૧૧૧)પ્રશ્નકર્તા : પણ એનો નિશ્ચય હોય તો બીજું ઊગતાં જ એને ખબર પડી જાય ને ? દાદાશ્રી : બીજું બીજ દેખાય એ ઉખેડીને ફેંકી દેવું એટલે ટૂંકમાં સારું સૌથી. પ્રશ્નકર્તા : પણ આ એક સિદ્ધાંત ઉપર તો બેસાય જ નહીંને, આગળ જવું તો પડશે ને ? દાદાશ્રી : તે ઘડીએ પાછો આવી મળશે રસ્તો. તે ઘડીએ એની મેળે સંજોગો બધા ભેગાં થઈ જશે. તને કામ લાગે આ વાતો બધી ? તારે શું કામ લાગે ? પ્રશ્નકર્તા : લાગે જ ને ? આપણા ધ્યેયનું જ છે ને ! ‘ઉદય’ની વ્યાખ્યા તો સમજોપ્રશ્નકર્તા : વ્રત બરાબર પળાય છે કે નહીં, એ આપણે કેવી રીતે સમજીએ ? દાદાશ્રી : એ આપણી આંખો ચમકારા મારે છે કે નથી મારતી એ ખબર પડે ને ? જો કદી પેલા વિચારો ગમે આપણને. કારણ કે આત્મા થર્મોમિટર જેવો છે, તો તરત બધું ખબર પડી જાય કે અવળે રસ્તે ચાલ્યું. પ્રશ્નકર્તા : એટલે પોતાનો નિશ્ચય પાકો છે. હવે પછી જે બને છે, એ તો આખો ઉદયનો ભાગ આવ્યો ને ? દાદાશ્રી : ઉદયનો ભાગ કયો કહેવાય કે સંડાસ જવું નથી એમ કહે તે. અહીં ઘરમાં તો સંડાસ થાય નહીં ને ! એટલે સંડાસને ઠેઠ સુધી પકડી રાખે અને પછી જાય, એ ઉદય ભાગ કહેવાય. ગમે ત્યાં સંડાસ કરવા બેસે, એ ઉદય ભાગ કહેવાય નહીં. એ વિષયમાં શું થાય છે કે એ રસ ગમે છે, એ પહેલાંની ટેવ છે. ચાખવાની આદત છે, એટલે એ પછી ઉદય ભાગમાં હાથ ઘાલવા જાય છે. ઉદય ભાગ તો, બિલકુલ પોતે ના પાડે ને ઠેઠ સુધી સ્ટ્રોંગ, પોતે લપસવું નથી, એમ કહે છે. પછી લપસી (પા. ૧૧૨)પડે, એ વાત જુદી છે. લપસી પડનારો માણસ કેટલી સાવચેતી રાખે ? સાવધાનીપૂર્વક રહેવું, તો વાંધો નહીં. પ્રશ્નકર્તા : એટલે આ ડિમાર્કેશન બહુ સૂક્ષ્મ છે. દાદાશ્રી : બહુ સૂક્ષ્મ છે. પ્રશ્નકર્તા : અને પોતે જ કડક રહીને સમજી શકે. પોતે જ કડક થાય. દાદાશ્રી : એ કડક રહેવું જોઈએ, પછી લપસી પડાય એ જુદી વસ્તુ છે. જેમ તળાવમાં તરનારો માણસ, ડૂબવાનો પ્રયત્ન હોય જ નહીં એનો. પ્રશ્નકર્તા : અત્યારે જે બ્રહ્મચર્ય સંબંધી નિશ્ચય થાય છે, એ શેના આધારે થાય છે ? શેના ઉપર આધાર રાખે ? સ્ટ્રોંગ નિશ્ચય ?! દાદાશ્રી : જે તમારે કરવું છે એના ઉપર. પાણીમાં છોકરો પડ્યો હોય રમવા, તરવા. એ શેના આધારે નિશ્ચય કરે છે બચવાનો ? પ્રશ્નકર્તા : જીવવું છે એટલે. દાદાશ્રી : એ જીવાશે તોય શું ને મરે તોય શું, તેનું શું થાય ? પ્રશ્નકર્તા : ડૂબી જ જાય. પોતાને આમ બ્રહ્મચર્ય સંબંધી વિવેક આવે છે, એના આધારે જ આ નિશ્ચય થાય છે ? દાદાશ્રી : એ તો સમજે શું કરું તો સુખી થવાય. સુખ ખોળે છે અને પોતાનો સ્વભાવ બ્રહ્મચારી જ છે, સ્વભાવમાં ! દ્રઢ નિશ્ચયને શેનાં અંતરાયો ?પ્રશ્નકર્તા : આપે કહ્યું કે અંતરાયો ઊભા કર્યા છે અને પછી કહે છે કે મને દેખાતું નથી. તો તેના અનુસંધાનમાં થ્રી વિઝનની બાબતમાં ક્યા અંતરાય અને કેવી રીતે અંતરાય નડે છે ? દાદાશ્રી : નિશ્ચય કરે કે મારે હવે બ્રહ્મચર્ય પાળવું છે, એને કશું (પા. ૧૧૩)નડતું નથી. આ તો બધા બહાનાં કાઢે. આપણા મહાત્માઓ કેટલા નિશ્ચયવાળા છે આમ, જરાય ડગતા નથી. થ્રી વિઝન એ તો હેલ્પીંગ છે. પણ જેનો નિશ્ચય છે, જેને પડવું નથી, એ કેમ કૂવામાં પડે ?! તારો નિશ્ચય પાકો છે ને ? એકદમ પાકો ? પ્રશ્નકર્તા : એકદમ પાકો ! દાદાશ્રી : હં, એવું પાકું હોવું જોઈએ. બધા કેટલા પાકાં. આ તો જેને નિશ્ચયનું ઠેકાણું નથી, તે આવું બધું ખોળ ખોળ કરે અને અંતરાયો પાડે. પોતે જ નક્કી કરે કે ભઈ, મારે નથી જ પડવું. એટલે ન જ પડે. પછી કોઈ ધક્કો મારવાનો છે કંઈ ! અને તો આનંદ રહે, આમ આવા અંતરાયો-બંતરાયો ખોળવાથી તો આનંદ રહેતો હશે ? પ્રશ્નકર્તા : બીજા ઉપાયો પણ જોડે છે જ ને ! થ્રી વિઝન સિવાયના ઉપાયો છે જ ને પાછાં, પ્રતિક્રમણ છે એ બધું... દાદાશ્રી : એ તો પ્રતિક્રમણ એ મનથી ભૂલ થયેલી હોય તો. નહીં તો પ્રતિક્રમણનીય શી જરૂર ? નિશ્ચય એટલે તેને કોઈ ડરાવતા નથી. આ તો બધું ઠેકાણું ના હોય તેને આ બધું છે. આ તો બીજા ઉપાયો શેને માટે ખોળે છે ! નિશ્ચય એટલે નિશ્ચય ! નથી પૈણવું એને નક્કી કરવું જોઈએ કે મારે નથી જ પૈણવું. પછી કોણ પૈણાવનાર છે ? અને પૈણવું છે એને નકામું હાય, હાય કરવાની જરૂર નહીં, પૈણીને બેસી જવું. દહીંમાં ને દૂધમાં પગ રાખવો નહીં કોઈએ. કૂવામાં નથી જ પડવું એવો નિશ્ચય છે, તેને ચાર દહાડાથી ઊંઘ્યો ના હોય અને કૂવાની ધાર ઉપર બેસાડે તોય ના ઊંઘે ત્યાં. પ્રશ્નકર્તા : ત્યાં તો પ્રત્યક્ષ દેખાય ને કે પડી જઈશ અહીં. દાદાશ્રી : હા, તે આમ પ્રત્યક્ષ એના કરતાંય ભૂડું છે આ તો. આ તો કેટલી મોટી ખાઈ છે ! અનંત અવતારની જંજાળ વળગે છે. એટલે મન મજબૂત થયું હોય તો થાય, નહીં તો આમ દહાડો વળે નહીં. આ (પા. ૧૧૪)કાચા મનથી આમ, આ દોરા સીવવાના ન્હોય. કેવું સ્ટ્રોંગ કે મરી જઉં પણ છૂટે નહીં. તારે નિશ્ચય મજબૂત છે ને ! પ્રશ્નકર્તા : એકદમ સ્ટ્રોંગ. સ્ટ્રોંગ સ્ટ્રોંગ બોલીએ તોય સ્ટ્રોંગ થઈ જાય છે ! દાદાશ્રી : એમ ! પ્રશ્નકર્તા : નિશ્ચય સ્ટ્રોંગ થાય એટલે બધું આવતું જ જાય. દાદાશ્રી : એ સિક્રસી મટે એટલે ‘ઓપન ટુ સ્કાય’ થઈ ગયો. એ ગુપ્ત લઈને આ બધી સિક્રસી પછી. અમારી પેઠ બોલી શકાય. ‘નો સિક્રસી.’ નિરંતર સુખ ભોગવે છે, તેના મોંઢા તો જુઓ ?! દિવેલ પીધા જેવું દેખાય ? અને નથી ભોગવતા તેના ? પ્રશ્નકર્તા : નિશ્ચય સ્ટ્રોંગ છે અને મેં કોઈ સિક્રસી નથી રાખી. આપને આલોચનામાં બધી જ વાત ઓપન કરેલી છે. દાદાશ્રી : એ બધું બરોબર છે, પણ આવું બધું આ તોફાન ખોળવાનું જ ના હોય. નિશ્ચય એટલે કશું ખોળવાનું નહીં. એની મેળે જ આવીને ઊભું રહે. બીજી કશી જરૂર જ નહીં ને ! આવે તોય શું ને ના આવે તોય શું, તો તું તારે ઘેર રહે, કહીએ. એ ના આવે ત્યાં સુધી આપણે આય આય કરવું. પ્રશ્નકર્તા : મને એમ રહ્યા કરે છે કે આટલો મારો નિશ્ચય સ્ટ્રોંગ છે. જ્ઞાની પુરુષ પાસે પ્રત્યક્ષ સંયોગ છે, આપ્તપુત્રો સાથે હું રહું છું. મારે આમાં બિલકુલ ઈન્ટરેસ્ટ નથી, છતાંય પણ આકર્ષણ કેમ રહ્યા કરે છે ? દાદાશ્રી : આ આકર્ષણ થાય ને, તે પૂર્વનો હિસાબ છે તે આકર્ષણ થાય. તેને તરત ને તરત એ કરી નાખવાનું. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ. (પા. ૧૧૫)દાદાશ્રી : હા. એ કંઈ આપણા નિશ્ચયને તોડતું નથી. આંખને કંઈ ઠીક લાગે તો ખેંચાય, તેથી કંઈ ગુનો થતો નથી. એ તો છે તે એની મેળે પ્રતિક્રમણ કરે એટલે ધોવાઈ જાય. એ ગયા અવતારની ભૂલ છે અને તે એવો હિસાબ હોય તો જ ત્યાં જાય, નહીં તો જાય નહીં કોઈ દહાડો. એ ભેગું થાય તો આકર્ષણ થાય. એ તો પ્રતિક્રમણથી ધોવાઈ જાય. એનો બીજો શું હિસાબ ? એ તો થ્રી વિઝન હોય તોય દેખાય કે આકર્ષણ થાય. સમજાય એવી વાત છે કે નહીં ? પ્રશ્નકર્તા : સમજાય છે ને. મને એમ હતું કે આવું સરસ જ્ઞાન મળ્યું છે અને આવા બધા સુંદર સંયોગો છૂટવાના આમ ભેગા થયા છે, તો જો પ્યૉર થઈ જવાય એક આ બાબતમાં, તો બહુ સારું એમ. દાદાશ્રી : હા, પણ પ્યૉર જ છે. નિશ્ચય છે ત્યાં સુધી પ્યૉર અને આવી ઈમ્પ્યૉરિટી માની તેય ભૂલ છે આપણી. નિશ્ચય આપણો હતો એટલે પ્યૉર રહે ! પછી ખેંચાણ થાય તેનાં ઉપાય ! ખેંચાણ તે કેવું, લપસી પડ્યા તેથી કંઈ ગુનો છે ? ફરી ઊભા થઈને ચાલ્યા. કપડાં બગડ્યા હોય તે ધોઈ નાખવાના. આપણે લપસી પડીએ તો ગુનો, લપસી પડ્યા તો ગુનો નથી. પ્રશ્નકર્તા : મને એમ અંદર એવો ખેદ થયા કરે છે કે આવું સરસ જ્ઞાન મળ્યું, છતાં આ સ્થિતિ કેમ હજુ અનુભવી રહ્યો છું ? દાદાશ્રી : ના, એ તો બધાને એમ હોય. એ તો ઊલટું આપણે જો એ પ્રતિક્રમણથી ધોઈ નાખીએ તો દહાડો વળે. નહીં તો ઊભું રહ્યું કહેવાય. ગયા અવતારે સહીઓ કરેલી, તે છોડે નહીં ને ! (પા. ૧૧૬)[4] વિષય વિચારો પજવે ત્યારેએ તો છે ભરેલો માલપ્રશ્નકર્તા : મારે ધંધાને લીધે બહાર બધે ફરવાનું બહુ થાય છે. દાદાશ્રી : હા, પણ એ સંજોગોમાં આપણે ચેતતા રહેવાનું, એ ચડી બેસે તો ચડી બેસવા નહીં દેવાનું. એ ન્યુટ્રલ છે ને આપણે છે તે પુરુષ છીએ. ન્યુટ્રલ, પુરુષને જીતે નહીં કોઈ દહાડોય. માંસાહારની દુકાને જઉં તોય વિચાર ના આવે, તે શું ? કારણ કે એ માલ ભર્યો નથી ને ! એટલે પછી આપણે ના સમજી લઈએ કે ભઈ, ભરેલો હોય હવે તે જ કૂદે છે. ના ભર્યો હોય તો નથી કૂદવાનો. એ સમજણ પડે કે ન પડે ? પ્રશ્નકર્તા : એ બરાબર છે. પણ બહુ વિચારો આવે ને એટલે પેલું એ થઈ જાય કે સાલું આવું બધું ?! દાદાશ્રી : બહાર લોકો બૂમાબૂમ કરતાં હોય, તેથી કરીને આપણે બારણું વાસીને બેઠા હોય એકબાજ,ુ તો ભાંજગડ છે ? આપણે એની જોડે વ્યવહાર કરવો જ નહીં. તો પછી આપણે રહી શકીએ. એટલે એ ઝંઝાવાત આવે તે પછી પાર નીકળી જાય, ને ઝંઝાવાત ઊડી જાય. વંટોળીયા કંઈ રોજ હોય ? બે દહાડા. આખો દહાડો ચાલે તોય ઉડાવી દઈએ. આ બધા કહે ને, આમને કંઈ વંટોળીયા નહીં આવતા હોય ? હવે આને કેટલાય વંટોળીયા આવે છે, પણ શું કરે ? પ્રશ્નકર્તા : ચંદ્રેશ વિષય ભોગવતો હોય એવા વિચારો આવે, આવું (પા. ૧૧૭)તેવું બધું દેખાય, ફોટાઓ બધા પડે અંદર. ગમે નહીં અંદર કશું પછી. દાદાશ્રી : ભલેને ના ગમે. ના ગમે તોય ચંદ્રેશને ને ? તને તો નહીં ને ? તું તો જુદોને આમાં ! વિષય ના હોવો જોઈએ, હોય બીજી કોઈ ભૂલો તો ચલાવી લેવાય. પ્રશ્નકર્તા : એવો વિચાર આવે કે આપણને ઈન્ટરેસ્ટ પડે છે, માટે દાનત ચોર હશે તો જ ઈન્ટરેસ્ટ પડે. નહીં તો ઈન્ટરેસ્ટ પડવો જ ના જોઈએ. દાદાશ્રી : ઈન્ટરેસ્ટ પડે એવો માલ લાવ્યા છીએ આપણે. આપણને ખબર પડે. ઓહો ! ઈન્ટરેસ્ટ પડે એવો છે. એટલે કહીએ, ‘ઈન્ટરેસ્ટ વાપરો તમે. પૈણો હઉ, કોણ ના પાડે છે ?’ આત્માને આમાં ઈન્ટરેસ્ટ હોતો જ નથી, એ ઈન્ટરેસ્ટ છે, આહારીને. આહારી જોયેલાં તે ! વધારેય ખઈ જાય છે તો દુઃખ થઈ જાય અને ઉપવાસ કરવા હઉ બેસે, પાછા એ જ આહારી ! પ્રશ્નકર્તા : પછી એવા વિચાર આવે કે આ નિશ્ચયમાં કચાશ છે કે દાનત ચોર છે કે આવું કેમ થાય છે ? દાદાશ્રી : ના, એ તો ભરેલો માલ છે ને ટાઈમ થયો છે. આજુબાજુના સંજોગો એવા છે એટલે ફૂટે છે. પ્રશ્નકર્તા : એક બેભાનપણામાં વિષયમાં ખેંચાઈ ગયા અને બીજું જાગૃતિપૂર્વક ખેંચાઈ ગયા, ચાલ્યું જ નહીં ત્યાં આગળ હવે. પછી શું કરવું ? અને એનો કેટલો દોષ બેસે ? દાદાશ્રી : દોષ તો ખરો ને ! વૈદે કહ્યું હોય કે મરચું ના ખાજો ને આપણે મરચું ખાઈએ, તો શું થાય ? પ્રશ્નકર્તા : આજ્ઞા ના પળાઈ તો શું કરવું પછી ? દાદાશ્રી : તે તો એણે મરચું ખાધું, તે પછી રોગ વધ્યો. પ્રશ્નકર્તા : પણ એનો ઉપાય તો હોવો જોઈએ ને ? (પા. ૧૧૮)દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાનું. પ્રશ્નકર્તા : પણ જેણે આજ્ઞા આપી હોય, એને કહેવું તો પડશે ને ? દાદાશ્રી : હા. કહે તો પણ એ પ્રતિક્રમણ કરવાનું કહે. બીજું શું કહે ? તે રૂબરૂ પ્રતિક્રમણ કર. કો’ક દહાડો મહીં કંઈક વિચાર ખરાબ ઊગ્યો અને કાઢી નાખતાં વાર લાગી પછી એનું મોટું પ્રતિક્રમણ કરવું પડે. એ તો વિચાર ઊગ્યો કે તરત કાઢી નાખવાનો, ફેંકી દેવાનું. પ્રશ્નકર્તા : પહેલાં એવી સ્થિતિ હતી કે હું આ બધાથી જુદો પડું ને, એટલે બ્રહ્મચર્ય રહે જ નહીં, એવી સ્થિતિ થઈ ગયેલી. સહેજ ટોળામાંથી જુદો રહું કે એકલો ઘેર રહું ને તો બધા વિચારો ફરી વળે. દાદાશ્રી : વિચારો ફરી વળે, એમાં આપણે શું જાય છે તે ? આપણે જોનાર છીએ તેને ! આ કંઈ હોળીમાં કેમ હાથ નથી ઘાલતો ? હોળીનો દોષ કાઢે એ ખોટું ને ! દોષ તો આપણે હાથ ઘાલીએ એ કહેવાય. વિચાર તો બધી જાતના ફરી વળે. મચ્છરાં ફરી વળતા હોય, એને આપણે આમ આમ કરીએ તો રહે નહીં. તે આ તો આમ તો હાથ દુઃખે, પણ આ તો કુદરતનો તો હાથ જ દુઃખે એવો નથી. આપણે કહીએ મચ્છરાં અડવા નથી દેવા, તો મહીં એવુંય બને. એ નિશ્ચય કરો ત્યાં બ્રહ્મચર્ય કેવું સરસ પળાય !! જુદાપણાથી જીતાયદાદાશ્રી : તારે કેમનું છે ? તારે રાગે પડી જશે ને ? પ્રશ્નકર્તા : પડી જશે. દાદાશ્રી : હેં ! તું તો એવું જ બોલે છે ને ! ‘પડી જશે, પડી જશે’ એને એ જ જગ્યાએ ઊગે છે ને એ જ જગ્યાએ આથમે છે. એ પડતો નથી ને કંઈ, એ કહે, પડી જશે સૂર્યનારાયણ ! પ્રશ્નકર્તા : એ મહીંનું રાગે પડી જશે, ચંદ્રેશનું ! (પા. ૧૧૯)દાદાશ્રી : એમ. પણ પૈણવાનું કહે છે ? પ્રશ્નકર્તા : એ ગાંઠો ફૂટે છે. દાદાશ્રી : એને કહેવું કે ‘જો ગાંઠો ફૂટશે ને, તે અમે જ્યાં સુધી એક્સેપ્ટ નહીં કરીએ ત્યાં સુધી તમારું કંઈ વળવાનું નથી. અમથા તારા દા’ડા જ બગડશે, છાનોમાનો બેસી રહે ને !’ અમથા પૈણો ને રાંડો, ને પૈણો ને રાંડો એમ કર્યા કરતા’તા. બેસી રહોને, પૈણશોય નહીં ને રાંડશોય નહીં. અમે સહકાર કંઈ આપવાના નથી. પ્રશ્નકર્તા : એટલે હું સહી નથી કરતો ત્યાં સુધી ગાડું ફર્સ્ટક્લાસ ચાલે. દાદાશ્રી : આપણે આપણી મેળે ઠપકો આપવો પડે કે કશું વળશે નહીં. માટે ચૂપ બેસો ને ! આવા બે-ચાર જાતના પ્રયોગ ગોઠવી દેવા કે જેનાથી છૂટા રહેવાય. દાદાશ્રી : તને પસ્તાવો નથી થતો, ના પૈણ્યો તે ? પ્રશ્નકર્તા : ના, એવું નહીં. દાદાશ્રી : તો ના પૈણ્યા તે સારું લાગ્યું તને ? પ્રશ્નકર્તા : હા. જે બીજા લોકો પૈણેલા હોય, એમનું બધુંય દુઃખ જોવા મળે ને ? ઘર ને બહાર બધે જોવા મળે, ઉઘાડું જ છે ને ! દાદાશ્રી : બળ્યા, આ પ્રત્યક્ષ દેખાતા દુઃખને મેલોને પૂળો ! પેલા દુઃખને જોઈ લેશું થોડુંક. એ દાદાના કહ્યા પ્રમાણે કરીશું, તો રાગે પડી જશે. આપણા મહાત્માઓને તો પચી જાય. પણ પેલી (બ્રહ્મચર્યની)ચોપડી એકેકી રાખવી પડે જોડે, તું નથી રાખતો ? પ્રશ્નકર્તા : રાખું છું. દાદાશ્રી : વાંચું છું ને પછી ? થોડું થોડું વાંચવું પડે. એટલે વાંચે ત્યારે મન જે બહુ કૂદાકૂદ કરતું હતું, તે ટાઢું થઈ જાય. તારે તો બહુ ફક્કડ રહે છે ને ? (પા. ૧૨૦)પ્રશ્નકર્તા : સરસ. એ ચોપડી હેલ્પ કરે થોડી, પણ આ વિજ્ઞાન તો એકદમ જ છૂટું જ રાખે. દાદાશ્રી : આ વિજ્ઞાનની વાત જુદી. આ વિજ્ઞાનની વાત જ ક્યાં થાય ! પ્રશ્નકર્તા : એટલે એ ચોપડીની હેલ્પ લઈએ ને, પણ વિજ્ઞાન પર વધારે જોર રાખીએ છીએ અમે. દાદાશ્રી : વિજ્ઞાન તો બહુ કામ કરે. પ્રશ્નકર્તા : એ ગમે તેવા સંજોગ આવે, એ પેલી ચોપડીમાં ના હોય. દાદાશ્રી : તારું ગાડું રાગે પડી ગયું છે હવે. પહેલાં તો મને લાગતું હતું, કે આ સ્ત્રી થઈ જશે. પણ પછી બહુ ટકોર મારી. ત્યારે શું કરું ? મેં કહ્યું, ‘આવતા ભવ છે તે કપડાં પહેરવા પડશે સ્ત્રીના, સાડી- બ્લાઉઝ.’ ત્યારે શું કહું ?! હવે બધું નીકળી ગયું. મોઢાં પર જોઈ લઈએને અમે ! એના વિચાર-બિચારો બધા દેખાઈ જાય અમને. એ સ્ત્રીનાં કપડાં સારા લાગતાં હશે પહેરવાનાં ? વિષય જોઈએ એટલે સ્ત્રીના કપડાં લાવવાં જ પડે ને પછી ? પ્રશ્નકર્તા : તમે અમારી સંભાળ પહેલેથી જ બહુ રાખી છે. દાદાશ્રી : એ તો રાખવી જ પડે ને ! હવે સંભાળ રાખવા જેવા નથી, હવે એ ચાલ્યા કરે. એટલે હવે બીજાને પકડીએ. જે કાચું હોય, તેને પકડીએ. પ્રશ્નકર્તા : પણ હજી ઘણી જરૂર છે. હવે બધું જલ્દી ખાલી થાય એવું કંઈક કરી આપો એમ. દાદાશ્રી : એવું છે ને જલ્દી ખાલી થવું, એટલે આ દેહ ખલાસ થવો. પ્રશ્નકર્તા : એટલે આ જે બધો, વિષયો ને કપટનો, જે માલ ભર્યો છે એ બધો માલ ખાલી કરવો છે. (પા. ૧૨૧)દાદાશ્રી : ઓહોહો વિષયનો ! વિષયનું ખાલી કરવું છે ખરું ! પણ એને ટાઈમે ખાલી કરું તોય વાંધો શો છે પણ ? પ્રશ્નકર્તા : એ ખૂંચે છે મહીં. દાદાશ્રી : એ માલ ફૂટે, તેમાં તને શું વાંધો ? ખૂંચે, તું એ બાજુ સૂઈ જઉં ત્યારે. આ બાજુ સૂઈ જઈએ, આપણા મહીં સૂઈ જઈએ તો ! ‘સ્ત્રી’ના પલંગમાં સૂઈ જઈએ ત્યારે ખૂંચે ને ! ‘આપણા’ પલંગમાં સૂઈ જઈએ તો આપણને પછી કોણ ખૂંચે ? બહુ ખૂંચે છે ? તો પછી પૈણી નાખ. પ્રશ્નકર્તા : ના, એવું નહીં. આ પેલી ગાંઠો ફૂટે એ ખૂંચે. દાદાશ્રી : એમાં ખૂંચે શાનું ? ‘જોયા’ કરવાનું. એમાં ખૂંચે શું ? ‘આપણે’ ‘ત્યાં’ બેસીએ તો ખૂંચે. પ્રશ્નકર્તા : હા. એટલે ચંદ્રેશને જ ખૂંચે કે આવું ના હોવું જોઈએ. દાદાશ્રી : ચંદ્રેશને ખૂંચે, તેમાં તારે શું ? ચંદ્રેશને કહીએ, ‘લે કાઢ સ્વાદ ! લે તારા કરેલાં તું ભોગવ્યા કર.’ આપણને કશું ના કરે. તમારે તો ઉંમર નાની તે હજુ હરકતના સ્ટેશનો આવવાના, નરી ઝાડી ને જંગલ બધું ! સ્ત્રી વિષય એ ખોટી વસ્તુ છે, એવું તને નિરંતર રહ્યા કરે છે ? પ્રશ્નકર્તા : નિરંતર. દાદાશ્રી : ને અભિપ્રાય તે જ રહે ? પ્રશ્નકર્તા : એ જ. દાદાશ્રી : હવે પહેલાં સ્ત્રી વિષય એ સારું છે માનેલું, એટલે તો આ મહીં ગાંઠો ભરાઈ છે, હવે આ ઊડી જશે આસ્તે રહીને. નવું માલ ભરતો નથી. એટલે તારે જોખમ રહ્યું નહીં ને ! નવું ભરાય એવું જ્ઞાન જ નથી ને આપણું ! (પા. ૧૨૨)સત્સંગમાંય સાવધ રહેવુંસ્ત્રી-પુરુષમાં વિકાર ના હોય એ પવિત્ર. તમે જેટલો કામનો બદલો આપો, તેના કરતાં વધારે બદલો તમને મલે. એટલે આ કરવાનું. જગત કલ્યાણ થાય અને આપણું. નહીં તો આ તો કશો માલ જ નહોતો. મીઠું-મરચુંય નહોતું ને ! એ તો હવે છે તે નવેસરથી મોટીમોટી દુકાનો થઈ. પ્રશ્નકર્તા : વિષય સંબંધી ખાસ ધ્યાન રાખવું પડે છે. ગામોગામ જઈએને, ત્યાં જેન્ટસ્ કરતાં લેડીઝ વધારે હોય હંમેશ માટે. આ ગામેગામ સત્સંગમાં જઈને તો સીત્તેર ટકા તો લેડીઝ જ હોય અને ત્રીસ ટકા જ પુરુષો હોય. એટલે બ્રહ્મચર્ય સંબંધી ખૂબ જાગ્રત રહેવું પડે. એ લોકોનો બધો રિસ્પોન્સ બહુ હોય. જેમ કે પદ ગવડાવે સુંદર, તો એ લોકો આમ ખુશ થઈ જાય. દાદાશ્રી : આવું તો સ્થૂળ અબ્રહ્મચર્ય થાય નહીં ને ! આ તો અહીં આગળ સૂક્ષ્મમાં ભાંજગડ છે. તે રસ્તામાં-શહેરોમાં ભેગા થાય. પેલા ગામડામાં તો એટલું બધું રુચિનું કારણ જ ના હોય ને ! પ્રશ્નકર્તા : પણ ગાંઠો ફૂટે કો’કવાર. દાદાશ્રી : એને તો તોડી નાંખીએ. પ્રશ્નકર્તા : એનું નિવારણ તરત થઈ જાય. તરત જ પાંચ મિનિટમાં. દાદાશ્રી : જેટલું ધોવાયું એટલું ઓછું. ‘શૂટ ઓન સાઈટ’ જ હોવું જોઈએ. પ્રશ્નકર્તા : ‘શૂટ ઓન સાઈટ’ જ થઈ જાય. આ તો અમારે પેલા ભેગા થવાના પ્રસંગો આવે ને. આમ તો ઘેર હોય તો આવે નહીં. દાદાશ્રી : અનંત અવતારથી આના આ જ પડઘા. પહેલાના સંસ્કાર એ ભાન જ નહીં ને ! (પા. ૧૨૩)મનની પોલો સામેએક સ્ત્રી આપણા સામે આંખ માર-માર કરતી હોય, તેમાં આપણે શું ? એ તો સ્ત્રી તો મારે જ. એમાં આપણે શું ? તું ખરો છું ? એવો કાયદો છે કે સ્ત્રીને આંખ ના મરાય ? એવું આપણે એને કહેવાય ? પ્રશ્નકર્તા : સ્ત્રીને ના કહેવાય, પણ ચંદ્રેશ મહીં ભેરવાઈ જાય છે, એનું શું ? ચંદ્રેશ એ ખેંચાઈ જાય છે. દાદાશ્રી : એટલે જ એ પૈણી જાય, તો એ સારું ને ! પ્રશ્નકર્તા : ના, એવું નથી જોઈતું. દાદાશ્રી : ત્યારે એવું જ ને ! આ જ તારી નબળાઈ ! આંખ મારે તેમાં આપણે શું ? આપણે થ્રી વિઝનથી જોઈએ તો, દેખાય શું એમાં ? થ્રી વિઝન તું નહીં જોતો ? મા-બાપ આપણા ધ્યેયને બદલાવતા હોય, તો આપણે એ સાંભળતા નથી તો મનનું કેમ સાંભળીએ ? ઉઠાવી ગયું કોઈ ? પ્રશ્નકર્તા : જાતે જ ખેંચાયા. દાદાશ્રી : સાપના મોઢામાં પેસે, તેને કોઈ શું કરે ? મનને કહી દેવું કે ‘તું હવે ફસાવીશ તો હું સો રૂપિયાનો આપ્તપુત્રોને હું આઈસ્ક્રીમ ખવડાવીશ કે જમાડીશ’. તો પછી નહીં કરે તેવું. એક ભૂલે સો રૂપિયાનો દંડ ! પ્રશ્નકર્તા : એટલે ત્યારે જ મહીં થયું કે આ ખોટું છે, તોય એ બાજુ જતું રહ્યું. મનનું માની લીધું એ વખતે. દાદાશ્રી : તો પછી હવે ખોટું થયું એ જાણે છે. ઉપરથી દરિયામાં ડૂબી જવાશે ને મરી જવાશે એવું જાણે, છતાંય કોઈ જાય તો એને કંઈ દરિયો ના કહે ? દરિયો તો કહેશે, ‘આય ભઈ, હું તો મોટા પેટનો છું. બહુ જણને સમાવી લીધા છે.’ (પા. ૧૨૪)પ્રશ્નકર્તા : છેલ્લા એક વર્ષથી હું રેઝિસ્ટ કર્યા કરતો હતો. દાદાશ્રી : મન તો બહુ મજબૂત છે, પણ તારી જાત નબળી હોય તો ફરી પૈણી જાય. પ્રશ્નકર્તા : આવું બને, તે મન મજબૂત કહેવાય ? દાદાશ્રી : માણસ એ નબળો જ કહેવાયને બધો ! મન નબળું ના કહેવાય. મન ઊલટું એને ખેંચી ગયું. મન તો જબરું કહેવાય. પ્રશ્નકર્તા : આમાં આના કેસમાં તમે મનને ‘જબરું’ કહ્યું અને માણસ ‘નબળો’ કહ્યો. એટલે માણસ એટલે કોણ નબળું કહેવાય ? દાદાશ્રી : અહંકાર અને બુદ્ધિ નબળા. આમાં ખરું ગવર્મેન્ટનું રાજ છે, તે આમાં બુદ્ધિ ને અહંકારનું છે. તે એમાં મનનું રાજ થઈ જાય એટલે ખલાસ. મનનું તો પાર્લામેન્ટરી પદ્ધતિથી, એનો એક રોલ છે ખાલી. તે વળી બુદ્ધિ માને-સ્વીકાર કરે, તો અહંકાર સહી કરે. નહીં તો ત્યાં સુધી સહીએ ના થાય. પ્રશ્નકર્તા : આમ એકલા સૂઈ ગયા હોય ને, તો પેલા વિચારો ફૂટે કે આવું બને તો ? આવી રીતે આ વિષય ભોગવાય તો ? પછી મને એ વખતે નવાઈ લાગે કે આપણે તો બ્રહ્મચર્ય પાળવું છે ને આ બધું ફૂટયું કંઈથી ? તે આ ગમે ખરાં વિચારો. દાદાશ્રી : ફૂટે તેનો વાંધો નહીં, પણ એ તો તને ગમે છે ? પ્રશ્નકર્તા : એ કો’કને તો ગમતા હશે ને અંદરથી ? દાદાશ્રી : ઓહો, તારે કો’કની જોડે લેવાદેવા છે ?! પ્રશ્નકર્તા : એ જેને ગમે, એનેય કાઢવો જ પડશે ને ! દાદાશ્રી : એને વઢવાનું. ‘અહીં શી રીતે ધમાલ માંડી છે અમારે ઘેર ? અમારા પવિત્ર ઘરમાં, હોમમાં ?’ પ્રશ્નકર્તા : ત્યારે એની દવા શું ? (પા. ૧૨૫)દાદાશ્રી : તારે દવા કરીને કામ શું છે ? પ્રશ્નકર્તા : પણ આ તો બહુ મોટો રોગ છે. આ તો પછી પાછું એ માટલીમાં બિલાડી પછી મોઢું ઘાલે ને, એ લઈને ફરવું પડે પછી પેલું. દાદાશ્રી : એ તો છૂટકો જ નહીં ને ! પછી તો કોણ કાઢી આપે ? ચલી ગઈ આ આખી જિંદગી ! આવી ફસાયા ભઈ, આવી ફસાયા. દુઃખ ગમતું હોય તો, પછી એનો ઉપાય જ નહીં ને ! પ્રશ્નકર્તા : દુઃખ નથી ગમતું. પણ પેલો વિષયનો ઈન્ટરેસ્ટ ગમે છે, એ દુઃખ ક્યાં છે ? દાદાશ્રી : નહીં, એ એનું ફળ જ દુઃખ આવે ને ! જેનું ફળ દુઃખ આવે, એ વસ્તુ ગમવી ના જોઈએ. એ દુઃખ જ છે. પ્રશ્નકર્તા : વિચારો આવાં આવી ગયા, પછી સહેજેય ના ગમે કે આ વિચારો કેમ આવ્યા આવાં ? દાદાશ્રી : એ તો માટલીમાં મોઢું ઘાલ્યા પછી ને ? ફસાયા પછી આવવાના વિચારો ! અરે, એક ફેરો વિચારોને ઉખેડીને-કાઢી નાખીને, ‘આ બધાય લોકો પૈણ્યા જ છે ને,’ કહીએ. પ્રશ્નકર્તા : પૈણવાના વિચાર આવતા હોય તો સારું, એક ફેરો પૈણી નાખીએ. આ તો વિષયના વિચાર આવે છે. આમાં જોખમદારી કેટલી પણ ! પછી એવો વિચાર આવે કે દાદા તો કહે છે કે આવું ચલાવી નહીં લે, તો શું થશે મારું ? દાદાશ્રી : શું થવાનું છે ? આ નર્મદાનો ગોલ્ડન બ્રીજ પડી ગયો કંઈ ? ગોલ્ડન બ્રીજ બાંધનારા જતાં રહ્યાં, બધાય જતાં રહ્યાં ! થવાનું છે શું ? પડી જવાનું છે ? આપણી તૈયારી જોઈએ. પ્રશ્નકર્તા : પણ તૈયારીમાં અંદર પોલ બહુ વાગે છે. સંજોગ ભેગા ના થાય ત્યાં સુધી સારું, પણ ભેગા થાય એટલે બધો માલ નીકળે છે. દાદાશ્રી : ના, પણ એ તો આ વાત તું કરું ને, તે બધાને માટે (પા. ૧૨૬)નથી. આ તારા એકલાને માટે. કોઈની વાત છે નહીં. તારે અનુકૂળ હોય, તે પ્રમાણે કરી નાખવાનું એટલે ભાંજગડ મટી. પછી બીજાની ભાંજગડ નહીં. આ તો બીજાના મન બગડે પાછા. થાય પછી શું ? ગમતું હોય ત્યારે. ગમે ત્યાં સુધી આપણે બોલાય નહીં. ધણીય કહે, ગમે છે અને ગમનારો કહે, ગમે છે. બેઉ આમ બોલે, તો પછી થાય શું ? પ્રશ્નકર્તા : ગમતાને ઉડાડવું પડશે ને ? દાદાશ્રી : આ તો ગમનારો કહે કે ‘મને ગમે છે’ અને ધણી કહે, ‘નથી ગમતું.’ તો એ બેને સંઘર્ષ હોય તો ઉડાડી શકીએ. આ તો સંઘર્ષ નથી, એક મત છે, પછી શું ઉડાડવું ?! મિયાં-બીબી રાજી, તો ક્યા કરેગા મિયાંકાજી. પછી કાજીસાહેબ શું કરે ?! પ્રશ્નકર્તા : પણ ફસાવું તો ગમતું નથી મને. એ વિષયમાં ફસાવું, એ મને નથી ગમતું. દાદાશ્રી : જો હવે શું બોલે છે, પહેલાં શું બોલતો હતો હમણે ? પ્રશ્નકર્તા : એ વિચારો આવે છે એ ગમે છે, એ એટલો સમય જ પણ પછી... દાદાશ્રી : આપઘાત કરવો ગમે છે પણ મરવું નથી ! એક દહાડો કરી તો જો ! પ્રશ્નકર્તા : એ જોખમદારી. એ માર ખાવો પડે ને બધો. આ કોઈ વખત આમ. પછી એવો વિચાર આવે કે આ પુદ્ગલના ફોર્સને લીધે આવું થતું હશે એટલે આપણે આ પુદ્ગલનો ફોર્સ ઓછો કરીએ, ખાવાનું ઓછું કરી દઈએ. એનો કોઈ રસ્તો બતાવો. દાદાશ્રી : પણ તેમાં તારે શું એમાં ? તને ના ગમતું હોય તો રસ્તો બતાડાય, તને તો ગમે છે ને ! પ્રશ્નકર્તા : એવું સતત ના ગમે. એ વિચાર આવે ને, તો થોડો સમય જ ગમે છે. પછી એવું ગમતું હશે ? (પા. ૧૨૭)દાદાશ્રી : ના, ના. ગમે એટલે સાઈન થઈ ગઈને થોડીવાર. તું વિરોધી હોય તો વાત કામની. પ્રશ્નકર્તા : આખા ચોવીસ કલાકમાં હું વિરોધી જ છું, પણ પેલા સંજોગ એવા ભેગા થાય ને વિચારો ફૂટે તો એક થોડીક, એક મિનિટ માટે ગમી જાય કે આ વિચારો સારા છે. દાદાશ્રી : મિનિટ માટે જ લોક પૈણી ગયેલાં. પ્રશ્નકર્તા : આખો દહાડો હું ઓફિસમાં ‘દાદા, મને બ્રહ્મચર્ય પાળવાની શક્તિ આપો’ એવું માંગ્યા જ કરું છું. દાદાશ્રી : હા, પણ માંગ્યા કરને પછી. પણ ગમે તેનો વાંધો નહીં ને ! મહીં ખરાંને, આવા વ્યાપારી ખરાં ને ! દરેક જાતના વેપારી હોય ને ! ખોટ ખાય એવા વેપારી ! કો’ક ફેરો ડૂબી જાય તેમાં શું વાંધો ? પ્રશ્નકર્તા : પણ જે પેલો એક્ઝેક્ટ દાખલો, આપો છો ને, કે ભઈ, એક ફેર તું નદીમાં ડૂબી જઈશ તો ? તો પેલો વિચાર કરતો થઈ જાય કે સાલું એક ફેર વિષયમાં સ્લિપ થઈશ તો ? દાદાશ્રી : ના, પણ બીજી વાર એને જાગૃતિ રહે ને ! સો દહાડા તર્યા પણ એક દહાડો ડૂબી ગયા એટલે નકામું જ ! ગયા અવતારની મા છોડી યે થાય. જેવો ઋણ બંધાયો હોય એવું થાય. કાકી થાય, મામી થાય, માસી થાય, વહુ પણ થાય. એવું બધું થાય ! મા હોય તો આ અવતારમાં વહુ થાય તો વૈરાગ ના આવે ? એવું સમજવાનું ! પ્રશ્નકર્તા : કુસંગનું વાતાવરણ છે ત્યાં સુધી આનો નિવેડો નથી. દાદાશ્રી : આ સત્સંગથી નિવેડો આવે જ છે ને ! આપણી મહેનત બધી ધૂળધાણી કરી નાખે કુસંગ. પ્રશ્નકર્તા : કુસંગમાં માલ ફૂટે છે. (પા. ૧૨૮)દાદાશ્રી : કુસંગની ગંધ જ એવી. કુસંગમાં જવાનું થાય તોય પ્રતિક્રમણ કરવું પડે. પ્રશ્નકર્તા : એટલે એક બાજુ વિષય વિચારો ગમે અને એક બાજુ ના યે ગમે એવું બન્ને થાય છે. દાદાશ્રી : એ ચાલે નહીં એવું, બ્રહ્મચારી રહેવું હોય તો. નહીં તો પૈણી જાવ. બહુ લૂઝ થતું હોય તો મજબૂત કરી નાખ હવે ! એવું પૂછજે ને બધું વાતચીત કરજે ! બુદ્ધિની વકીલાતો, વગર ફીએપ્રશ્નકર્તા : પ્રકૃતિ એનો સ્વભાવ તરત છોડે નહીં ને, હજુ એકદમ. વિચારો ને એ બધું થોડું થોડું રહે. દાદાશ્રી : બહુ નહીંને પણ ! પ્રશ્નકર્તા : ના, પણ હજુ વિચારો આવે તો આપણે પાછું અંદરથી પોલ પણ મરાવે છે. દાદાશ્રી : જ્ઞાન હાજર તરત થઈ જાય ને ! પ્રશ્નકર્તા : જ્ઞાન હાજર રહે, પણ એના પર થોડો વિશ્વાસ મૂકવા જઈએ ને, આ વિચાર આવ્યો કે આપણને શું વાંધો છે ? દાદાશ્રી : એવું કહે ?! એને ઓળખું નહીં કે આ કોણ કહે છે તે ? વકીલ બોલે છે એવું ના જાણું ? પ્રશ્નકર્તા : અંદર વકીલ એવું કહે. દાદાશ્રી : એટલે તો તારે મઝા થઈ ગઈ ને (!) પ્રશ્નકર્તા : એનું તો ના મનાય. દાદાશ્રી : કોઈ દહાડો મનાતું હશે તે વકીલનું ? તું માનું છું ? (પા. ૧૨૯)સારું લાગે છે એ ? પ્રશ્નકર્તા : એવા વિચાર આવે ને તો તરત ઉખેડીને ફેંકી દેવાના, એના બદલે, ‘જોઈએ શું થાય છે, હજુ વિચાર આવ્યો છે ને !’ એવું વકીલ બતાવે. દાદાશ્રી : ત્યારે તો નિરાંતે પૈણાવી દે. તારે તો વાંધો નહીં, પૈણવાના સીગ્નલ પડી ગયા ! પ્રશ્નકર્તા : ના જોઈએ એવું, પણ એ મનમાં એવું થાય કે વિચારને ઉખેડી ને તરત ફેંકી દેવાનું દાદા કેમ કહેતાં હશે ? દાદાશ્રી : એ તારો માલ છે ને ! વધે વિષયોની લીંકોથી એગમે ત્યાં આગળ બેઠા હોય ને, અગર તો નોકરી કરતાં નવરા પડ્યા તોય આ કર્યા કરવું. ઓફિસમાં બેઠા હોય ને નવરા પડ્યા તોય નિશ્ચય મજબૂત કરીએ થોડીવાર, બે શબ્દ વાંચી લઈએ તોય શું વાર આમાં ? એટલે લીંક તૂટી જાય બધી. જે અંદર લીંકો ચાલે છે ને એ તૂટી જાય બધી. વેર-વિખેર થઈ જાય, લીંકો વેર-વિખેર કરવાની છે. લીંકોથી વિષય વધે છે. મહીં આનંદ થાય છેને, એ સામાયિક-પ્રતિક્રમણ કરો છો તે ઘડીએ ? જાણે મુક્ત હોય એવું લાગ્યા કરે ને ? પ્રશ્નકર્તા : આ જે બધું ચિત્ત ભટકતું હતું, મન જે વિચાર કરતું હતું એ બધું બંધ થઈ જાય, ત્યાં થંભી જાય છે બધી વસ્તુઓ. દાદાશ્રી : બધું થંભી જાય. એવું છે ને તમે બીજી ગોઠવણી કરો તો વિષય તો છેટો ઊભો રહે એવો છે બિચારો. એ તો ભડકે બિચારો. જેમ સારાં માણસો અહીં ઊભા હોય, તે ઘડીએ હલકી નાતના લોક ના ઊભા રહે, એવી રીતે. પ્રશ્નકર્તા : આ તમે જ્યારથી બે દિવસથી બોલ્યા છો ને, તો આમ (પા. ૧૩૦)જાણે પરાક્રમ જેવું ઊભું થઈ ગયું છે કે આમ જેટલી પોલંપોલો ચાલતી હતી, એ બધી બંધ થઈ ગઈ છે. દાદાશ્રી : હા, બંધ થઈ જાય. એ તો દાદાના આ શબ્દો, પોલંપોલ બધું બંધ થઈ જાય. તમે સાચવી રાખો તો બહુ સરસ છે. મહીં ચોક્કસ ને આમાંય ચોક્કસ, પણ એટલું જો આમાં ચોક્કસ રહે તો આમાં ફર્સ્ટકલાસ થઈ જાય. એ આવડત છે ને એક જાતની ! અને કહ્યા પ્રમાણે કરીએ તો. ફરી ફરી તાલ નહીં પડે આ. છેલ્લી આ તક છે. ઉઠાવી લ્યો આ છેલ્લી તક. કળાથી કામ કાઢોકંઈ ફેરફાર થાય તો મને કાગળ લખીને ચિઠ્ઠી આપી દેવી. બીજી બાબતની ભૂલો બધી ચલાવી લેવાય. બીજી બધી જાતની ભૂલો ના ચલાવી લઈએ તો માણસ મુશ્કેલીમાં મૂકાય, એ મૂંઝાઈ જાય બિચારો. ખાવાની જ મુશ્કેલી. ખાવાનું પાછું ખાવા ના દે. આમ ના ખવાય ને ત્યારે શું કરે ? કૂવામાં પડે કંઈ ? આપણે અહીં બધી છૂટ આપી. ખાજે બા, આઈસ્ક્રીમેય ખાજે. તારા મનને જેમ તેમ કરીને મનાવજે. પ્રશ્નકર્તા : એ મનને એ રીતે મનાવે એટલે પૂરું થઈ જાય ? દાદાશ્રી : ના, પૂરું ના થઈ જાય. પ્રશ્નકર્તા : તો ? દાદાશ્રી : આપણો દા’ડો નીકળી જાયને અત્યારે. પ્રશ્નકર્તા : એટલે ખાલી સંતોષ ખાતર. પણ આગળ ઉપર પાછું કરવું તો પડે ને ? દાદાશ્રી : એ તો ફરી પાછું વળી બ્રેક પાડીએ પાછી. જરા અત્યારની ઘડી ગઈ. એટલે પછી એની પાછળ સંચો લઈને ફરી વળીએ. અત્યારે ટાઈમ કાઢી નાખો. પોલીસવાળો વાંકો વળે તો ‘સાહેબ, સલામ’ કરીને એકવાર ખસી જવું ને પછી એ જોઈ લેવાય. પછી એની પાછળ (પા. ૧૩૧)પડીશું. પણ અત્યારે વઢીએ તો ચાલે નહીં. અત્યારે આપણે હાથમાં આવી ગયા, પકડાઈ ગયા એટલે ? કળાથી કામ લેવું પડે અને મન જડ છે. જડ છે એટલે કોઈને ગાંઠતું નથી ને, આપણે કળાથી લઈએ એટલે ઠેકાણે આવી જાય ! ફરી આવો તાલ ખાય નહીં આવો અને સરળ રીતે, ઓછી મહેનતે અને આનંદપૂર્વક પાછો. પેલા તપ કરવાનાં, તે કઠોર તપ બધાં. સહન જ ના થાય, જોતાં જ ચીતરી ચઢે. આપણું જ્ઞાન છે એટલે આપણે તો વાંધો જ નહીં. જ્ઞાન તો મનને જુએ છે કે મન શું કરે છે ને શું નહીં ? એવું જોઈ શકે એવું છે. એટલે બહાર ક્રમિક માર્ગમાં છે તે મનની ઉપાધિ અને ગોળીઓ ખવડાવવી પડે. છતાંય આપણેય કોઈ વખત ખવડાવવી પડે તો ખવડાવી દેવી. એટલે આપણે કહીએને કે ગોળીઓ ખવડાવીને કામ લઈ લેવું. એક જ બાબત ફાવતી નથી એવું એને છે નહીં. એને તો બધી બાબત, જેમાં ટેસ્ટ પડે, તેમાં ફાવે ! (પા. ૧૩૨)[5] ન ચલાય, મનના કહ્યા પ્રમાણેજ્ઞાનથી કરો સ્વચ્છ મનદાદાશ્રી : મન બગડે છે હજુ ? પ્રશ્નકર્તા : બગડે છે. દાદાશ્રી : તારી દુકાનમાં માલ હોય ત્યાં સુધી બગડે. પણ હવે માલ હશે તે પછી ધોઈ નાખો એને. ધોઈને ચોખ્ખો કરો કે ના કરો ? પ્રશ્નકર્તા : હા, કરું. દાદાશ્રી : એટલે સ્વચ્છ જીવન. મન પણ બગડે નહીં ક્યારેય ! દેહ તો બગડે જ નહીં પણ મન પણ બગડે નહીં અને બગડે તો તરત જ ધો ધો કરીને સાફ કરીને ઈસ્ત્રી કરીને ઊંચું મૂકી દેવું. જ્યાં જ્ઞાન છે, ત્યાં સંસારનો એક વિચાર ન આવવો જોઈએ. અમને સંસારનો એક વિચાર નથી આવતો. અને સ્ત્રીનો, આ બધી સ્ત્રીઓ બેઠી છે પણ અમને સ્ત્રીસંબંધી વિચાર નથી આવતો. એટલે બધું ખાલી થઈ જવું જોઈએ. પ્રશ્નકર્તા : થઈ જવું જોઈએ કે કરી નાખવું જોઈએ ? દાદાશ્રી : થઈ જવું જોઈએ. આ માર્ગ એવો છે કે તમારે ખાલી કરવાનું નહીં રહે. એની મેળે ખાલી થયા કરે. અમારી આજ્ઞામાં રહો એટલે ખાલી થયા કરે. (પા. ૧૩૩)નહીં તો મન પડે લપટુંપ્રશ્નકર્તા : આપણે નિયમ ગોઠવ્યો હોય કે બે જ રોટલી ખાવી છે. પછી મનના કહ્યા પ્રમાણે ચાલીએ, તો એ નિયમ તૂટી જાય એવું બને ને ? દાદાશ્રી : મનના કહ્યા પ્રમાણે ચલાય જ નહીં. મનનું કહ્યું જો આપણા જ્ઞાન પ્રમાણે ચાલતું હોય, તો એટલું એડજસ્ટ (ગોઠવણી) કરી લેવાય. આપણા જ્ઞાનની વિરુદ્ધ ચાલે તો બંધ કરી દેવાય. પ્રશ્નકર્તા : એટલે મનના કહ્યા પ્રમાણે ચાલે, તો નિયમ તૂટે એવું ખરું ને ? દાદાશ્રી : રહ્યો જ ક્યાં તે નિયમ ? કો’કનામાં ડહાપણ વાપરવું વચ્ચે તે. પણ આપણે તો જ્ઞાન પ્રમાણે ચાલવું છે. છતાં મન પણ નિયમવાળું છે. એનાથી તો આ જગતના લોકો બહુ સારી રીતે રહી શકે છે. પ્રશ્નકર્તા : અજ્ઞાનતા હોય તો પણ નિયમ નક્કી કરે તો એક્ઝેક્ટ (બરાબર) એ પ્રમાણે ચાલ્યા કરે ને ? દાદાશ્રી : એ નક્કી કરે કે મારે નિયમથી જ ચાલવું છે, એટલે નિયમથી જ ચાલે. પછી બુદ્ધિ ડખલ કરે તો એવું થઈ જાય છે. ગાડી નિયમમાં ના હોય તો શું થાય ? પ્રશ્નકર્તા : હા. વ્યવહાર ચૂંથાઈ જાય બધો. દાદાશ્રી : અમારું મન ઘણુંય કહે કે આ ખાવ, આ ખાવ, પણ નહીં. નહીં તો મન લપટું પડી જાય. વાર ના લાગે. અને લપટો પડી ગયો તેને આખો દહાડો કકળાટ હોય. દયાજનક સ્થિતિ ! ‘તું’ તો ચંદ્રેશને રડાવનારો માણસ. ‘તું’ કંઈ જેવો તેવો માણસ છું ? એ પછી આ મન તો એનું ચંદ્રેશનું, આપણે શું લેવાદેવા ? હવે આપણે શુદ્ધાત્મા. પ્રશ્નકર્તા : ચોક્કસ. (પા. ૧૩૪)દાદાશ્રી : મન એ ચંદ્રેશનું. એ મનના કહ્યા પ્રમાણે, આપણે નહીં ચાલવાનું. મનના કહ્યા પ્રમાણે ચાલેને, એનું બ્રહ્મચર્ય ટકે નહીં, કશુંય ટકે નહીં. ઊલટું અબ્રહ્મચર્ય થાય. મનને ને આપણે શું લેવાદેવા ? હવે કો’કના દાગીના પડ્યા હોય, મન કહે કે કોઈ છે નહીં, લઈ લો ને. પણ આપણે સમજવું જોઈએ. પોતાનું ચલણ ના રહે, તો મન ચઢી બેસે. પ્રશ્નકર્તા : પોતાને સમજાય ખરું કે આ બે કલાક નકામા જતા રહ્યા. દાદાશ્રી : જતા રહ્યા, એ જુદી વસ્તુ છે. એ તો અજાગૃતિને કારણે. પણ તોય મન ચઢી બેસે નહીં. વિરોધીના પક્ષકાર ?પ્રશ્નકર્તા : એક વાર જ્યારે અમે સત્સંગમાંથી ઊઠીને બહાર ચા પીવા ગયેલાં ત્યારે આપે કહેલું કે બીજી બધી બાબતમાં આવું છૂટું રાખવું અને એક તમારે બ્રહ્મચર્યની બાબતમાં જ મનનું ના માનવું. દાદાશ્રી : ને બીજી બાબતમાં માનવું ? એટલે તમને ટેસ્ટ પડતો હોય તો માનો ને ! મારે શું વાંધો છે ? એ તો બ્રહ્મચર્યમાં માનશો તોય મારે વાંધો નથી. આ તો બ્રહ્મચર્ય ઉપર તમે સ્ટ્રોંગ (દ્રઢ) રહો, એટલા માટે આમ કહેવા માગું છું. ધ્યેયને નુકસાન ન કરે, એવા હેતુથી એવું બોલેલો. તેથી કરીને બીજા ઉપર તમે એમ કહો કે મનનું બીજું નિરાંતે માનજો. તમારું કામ થઈ ગયું (!) શું કાઢશો આમાં ? કેવી વકીલાત કરો છો ? પ્રશ્નકર્તા : પોતાની લૉ-બુક (કાયદાપોથી)માં લઈ જવાય છે ! દાદાશ્રી : લૉ-બુક તો એની એ જ. આ પક્ષકાર કેવા માણસ છે ? વિરોધીના પક્ષકાર ! હવે ડાહ્યા થઈ જાવ. નહીં તો નહીં ચાલે આ દુનિયામાં. (પા. ૧૩૫)મન ચલાવે માંહ્યરા લગી...જુઓ ને ચારસો વર્ષ ઉપર કબીરે કહ્યું, કેવો એ ડાહ્યો માણસ ! કહે છે, ‘મન કા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય.’ ડાહ્યો નહીં કબીરો ? અને આ તો મનના કહ્યા પ્રમાણે ચાલ્યા કરે. મન કહે કે ‘આને પૈણો.’ તો પૈણી જવું ? પ્રશ્નકર્તા : ના. એવું ના થાય. દાદાશ્રી : તે હજુ તો બોલશે. એવું બોલશે તે ઘડીએ શું કરશો તમે ? બ્રહ્મચર્ય વ્રત પાળવું હોય તો સ્ટ્રોંગ રહેવું પડે. મન તો એવુંય બોલે અને તમને હઉ બોલાવશે. તેથી હું કહેતો હતો ને કે કાલે સવારે તમે નાસી હઉ જશો. એનું શું કારણ ? મનના કહ્યા પ્રમાણે ચાલનારાનો ભરોસો જ શું ? કારણ કે તમારું પોતાનું જ ચલણ નથી. પોતાના ચલણવાળો એવું ના કરે. તેથી હું તમને કહેતો હતો કે મહીં મન કહેશે, ‘હજુ તો આ છોડી સરસ છે, ને હવે વાંધો નથી. આ દાદાજીનું આત્મજ્ઞાન મળી ગયું આપણને. હવે કશું રહ્યું નથી. પેલાએ શાદી કરી છે, હવે ખાસ પૂરાવામાં કંઈ ખૂટતું નથી. ચાલો ને, આ હવે આમાં ક્યાં ભૂલ થઈ ગઈ પાછી ?! પાછો ફાધરનો આશીર્વાદ વરસશે.’ એવું મહીં કહેશે અને જો તું ભૂલો પડીશ તો તે ફજેતો કરશે. અમે તો તમને કહીએ કે નાસી જશો. ત્યારે તું કહે, ‘નાસીને અમે ક્યાં જઈએ ?’ પણ શેના આધારે નાસ્યા વગર નહીં રહો તમે ? કારણ કે મનના કહ્યા પ્રમાણે તમે ચાલો છો. પ્રશ્નકર્તા : હવે અમે અહીંથી ક્યાંય નાસી ના જઈએ. દાદાશ્રી : અરે, પણ મનના કહ્યા પ્રમાણે ચાલનારો માણસ અહીંથી ના જાય, એ કઈ ગેરન્ટીના આધારે ? અરે, લો, હું તને બે દહાડા જરા પાણી હલાવું. અરે, છબછબિયાં કરું ને, તો પરમ દહાડે જ તું જતો રહે ! એ તો તને ખબર જ નથી. તમારા મનનાં શું ઠેકાણાં ? બિલકુલ ઠેકાણા વગરનાં મન. પોતાના સેન્ટરમાં જ ઊભું રહ્યું નથી. મનના કહ્યા પ્રમાણે (પા. ૧૩૬)તો ચાલો છો હજુ. આ ‘નથી નાસી જવું, નથી નાસી જવું’, એ કહેવા પૂરતું જ. પણ હજુ તો શુંય કરશો ? એ તો કોણ સ્ટ્રોંગ માણસ કહેવાય કે જે કોઈનુંય માને નહીં. મનનું કે બુદ્ધિનું કે અહંકારનું કે કોઈ ભગવાન આવે, તેનુંય ના માને. તમારું તે શું ગજું ? તું મને કહેતો હતો કે, ‘સ્મશાનમાં જાઉં તો મન વાંધો નથી ઉઠાવતું’ પણ બીજે ક્યાંક મન વાંધો ઊઠાવે કે ત્યાં નહીં જવાનું, તો ના જાય ! પ્રશ્નકર્તા : પોતે અહીંયા દાદા પાસે આવીને જે નિશ્ચય કર્યો છે, એ બાબતમાં મનનું કોઈ દિવસ સાંભળ્યું નથી. દાદાશ્રી : એમ ? સવળું મન બોલે ખરું ? પ્રશ્નકર્તા : હા, સવળું બોલે છે. દાદાશ્રી : અવળું બોલ્યું નથી એટલે. થોડુંઘણું અવળું બોલે, તેને તમે ગાંઠો નહીં. પણ સાત દહાડા સુધી તમને છોડે નહીં અને એ પાછું મહીં કહેશે, ‘આ જ્ઞાન બધું મળી ગયું છે, હવે વાંધો નથી, લોકોમાં આપણી વેલ્યૂ બહુ ખૂબ છે. આમ છે, તેમ છે.’ બધું સમજાવી કરી ચલાવે આપણને ! પ્રશ્નકર્તા : એવું ના થાય હવે. દાદાશ્રી : તેથી અમે આ તમને પાછળ બહુ નુકસાન ના થાય એટલા સારું તમને ચેતવીને કહીએ કે આમાં ‘મનકા ચલતા’ છોડી દો છાનામાનાં, તમારા સ્વતંત્ર નિશ્ચયથી જીવો. મનની જરૂર હોય તો આપણે લેવું અને જરૂર ના હોય તો થયું, બાજુએ રાખો એને. પણ આ મન તો પંદર પંદર દહાડા સુધી ફેરવીને પછી પૈણાવે. મોટા મોટા સંતોય ભડકી ગયેલા, તો તમારું તો શું ગજું ? ધ્યેયનો જ નિશ્ચયબ્રહ્મચારી થવાનો તારો નિશ્ચય છે આ તો ! પણ આ તો મનના કહેવા પ્રમાણે તું બધું કરે છે. એટલે તારું બધું છે જ ક્યાં ? એ તો તારા (પા. ૧૩૭)‘મને’ કહ્યું હતું, એ પ્રમાણે આ પૈણવામાં મઝા નથી. તે આવું બધું તારા ‘મને’ તને કહ્યું હતું ને તેં એક્સેપ્ટ કર્યું હતું. પ્રશ્નકર્તા : હવે નિશ્ચય થયોને પણ ? દાદાશ્રી : હવે નિશ્ચય તારો. જો એને તું નક્કી કરે કે હવે આ મારો નિશ્ચય. પછી મનને કહી દઈએ કે ‘હવે જો તું આડું કરશે, તો તારી વાત તું જાણું !’ હવે તો આપણા સિદ્ધાંત તરીકે સ્વીકારીએ, એટલે આપણો જ કહેવાય એ નિશ્ચય. પ્રશ્નકર્તા : સિદ્ધાંત તરીકે સ્વીકાર્યા પછી ‘આપણો’, નહીં તો ‘મન’નો ? દાદાશ્રી : તો બીજા કોનો ? એનો જ છે. ‘આપણું’ ક્યાં છે અહીં આ મિલકતમાં ? જે આપણી મિલકત હતી, તે દબાવી પાડી છે. ને તેય આપણી ભાડાની ઓરડીમાં રહે છે. તેય ચોરી કરે છે પાછો ઉપરથી ને ? કો’કના ઘર ઉપરથી નળિયાનો ટુકડો પડે ને તો વાગે તોય કશું ના બોલો. કારણ કે ત્યાં મન કહે છે કે ‘કોને કહીશું આપણે ?’ એ તો એનું મન શીખવાડે છે, એ પ્રમાણે એ બોલે છે. આપણે અત્યારે સિદ્ધાંત છે, એ પ્રમાણે મન ચાલવું જોઈએ. મનનું કહ્યું ના માનવું. સામાયિકમાં ચલણ, મનનુંપ્રશ્નકર્તા : સામાયિકમાં બેસવું ના ગમે. ગુલ્લી મારવાનું મન થઈ જાય. દાદાશ્રી : મન બૂમો પાડે પણ તારે શી લેવા-દેવા ? તારા સિદ્ધાંતની વિરુદ્ધ ચાલે છે ? ચાલે છે, તો ચલણ એનું છે હજુય. એ ના કહે તો આપણે શું ? એ તો સામાયિક જ ના કરવા દે. પ્રશ્નકર્તા : પહેલાં શરૂઆતમાં હું બે-એક વર્ષ રેગ્યુલર સામાયિક કરતો હતો. એ મને ગમતું હતું ત્યારે. દાદાશ્રી : તે તું ‘ગમતું-નાગમતું’ એ જ માર્ગે છે ને ? પાછો કહે (પા. ૧૩૮)છે મને ગમતું હતું ! મનનું માને એ માણસ જ ના કહેવાય, એ મશીનરી ના કહેવાય તો બીજું શું કહેવાય ? પોતાનું ચલણ ના હોય ? તમે પુરુષ થયા ને ? સત્સંગમાં આવવાનું મન ના પાડે તો શું કરે ? ત્યાં મનનું માનો છો ? એવું માનો તો પછી રખડી મર્યા ને ! રહ્યું શું તે ? જાનવરોય એનું માને ને તમેય એનું માનો. ઘણી ખરી વખત મનના વિરુદ્ધ કરો છો કે નહીં ? પ્રશ્નકર્તા : ઘણી વખત. દાદાશ્રી : સારું. મનના ચલાવ્યે ચાલે, એ તો મિકેનિકલ કહેવાય. પેટ્રોલ મહીં પૂરીએ એટલે મશીન ચાલ્યા કરે. તનેય એવું થાય છે ? તો તો આપણે ના પૈણવું હોય તોય પૈણાવડાવે ! પ્રશ્નકર્તા : એમાં એવું ના થાય. દાદાશ્રી : કેવા માણસ છો તે ? આપણી ઈચ્છા પ્રમાણે ના ચાલવા દે. તો પછી પોતાનું ચલણ જ નથી. પ્રશ્નકર્તા : સામાયિક કરવાની ઈચ્છા એટલી સ્ટ્રોંગ નહીં. દાદાશ્રી : ઓહો, તો તો આ બધો ધર્મ કરવાની ઈચ્છા જ નથી. આમાં સ્ટ્રોંગ નહીં ને પાછો ! સામાયિક એટલે અડતાલીસ મિનિટની વસ્તુ છે. અડતાલીસ મિનિટમાં ઠેકાણે બેસે નહીં, તો આ બ્રહ્મચર્ય કેમ કરીને પળાય ? એના કરતાં છાનોમાનો પૈણી જાય તો સારું. આ બ્રહ્મચર્ય પાળે છે, તે બ્રહ્મચર્ય એટલે પોતાનું નિશ્ચયબળ. કોઈ ડગાવે નહીં એવું. કો’કના કહ્યાથી ચાલે એ બ્રહ્મચર્ય શી રીતે પાળે ? બ્રહ્મચર્યવાળો તો કેવો હોય માણસ ? હેય, સ્ટ્રોંગ પુરુષ ! ઊંચા મનોબળવાળો ! એ આવા તે હોતાં હશે ? તેથી તો હું વારેઘડીએ કહું છું કે ‘તમે જતા રહેશો, પૈણશો.’ ત્યારે તમે કહો છો કે એવાં આશીર્વાદ (પા. ૧૩૯)તમે ના આપશો ! મેં કહ્યું, ‘હું આશીર્વાદ નથી આપતો. તમારો વેષ દેખાડું છું આ !’ અત્યારથી જો ચેતો નહીં ને પોતાના હાથમાં લગામ લીધી નહીં તો ખલાસ ! ક્યાં ગાડું લઈ જાવ છો ? ત્યારે કહે, ‘બળદ જ્યાં લઈ જાય ત્યાં !’ બળદ જે દિશામાં જાય, એ દિશામાં ગાડું જવા દે કોઈ ? બળદ આમ જતા હોય તો મારી ઠોકીને, ગમે તેમ કરીને, આમ લઈ લે. પોતાના ધારેલા રસ્તે જ લઈ જાય ને ? પ્રશ્નકર્તા : ધારેલા રસ્તે લઈ જાય. દાદાશ્રી : ને આ તમે તો બળદના ચલાવ્યા ગાડાં ચલાવો છો. ‘એ આ બાજુ જાય છે તો હું શું કરું ?’ કહે છે ! તો એના કરતાં પૈણો ને નિરાંતે ! ગાડું આ બાજુ જતું હોય તો અર્થ જ નહીં ને ! નિશ્ચયબળ છે નહીં. પોતાનું કશું છે નહીં. પોતાની કશી લાયકાત છે નહીં. તને શું લાગે છે ? ગાડું જવા દેવું ? પ્રશ્નકર્તા : ના જવા દેવાય. દાદાશ્રી : તો કેમ આ ગાડાં જાય છે ? પ્રશ્નકર્તા : આપ કહો છો ને ત્યારે ખબર પડે છે કે આ મનના કહ્યા પ્રમાણે કર્યું હતું. નહીં તો ખબર જ નથી પડતી. દાદાશ્રી : હા, પણ ખબર પડ્યા પછી ડાહ્યો થાય કે ના થાય ? પ્રશ્નકર્તા : થાય. દાદાશ્રી : હવે પાછા તમે પરમ દહાડે એવું કહેશો કે ‘મને મહીંથી એવું જાગ્યું, એટલે ઊઠી ગયો સામાયિક કરતાં કરતાં !’ પ્રશ્નકર્તા : સામાયિક કરવા બેસીએ તો મઝા નથી આવતી. દાદાશ્રી : મઝા ના આવતી હોય તો એનો વાંધો નહીં. પણ મનના કહ્યા પ્રમાણે કરે, તે ના ચલાવી લેવાય. પ્રશ્નકર્તા : પણ આ મઝા ના આવે, એટલે એવું થાય કે હવે બેસવું નથી. (પા. ૧૪૦)દાદાશ્રી : પણ આમ ‘મનના કહ્યા પ્રમાણે ચાલવું છે’ એવી ઈચ્છા નહીં ને તારી ? પ્રશ્નકર્તા : આ તો હવે ખબર પડી ને ! દાદાશ્રી : મઝા ના આવે એ જુદી વસ્તુ છે. મઝા તો આપણે જાણીએ કે આને ઈન્ટરેસ્ટ (રસ) બીજી જગ્યાએ છે અને આમાં ઈન્ટરેસ્ટ ઓછો છે. ઈન્ટરેસ્ટ તો અમે કરી આપીએ. પ્રશ્નકર્તા : મઝા ના આવે એટલે મન બતાવે કે હવે જતાં રહીએ. દાદાશ્રી : મનની એ વાત હું કરતો નથી. મઝા ને મનને લેવાદેવા નથી. પ્રશ્નકર્તા : મઝા ના આવે તો પછી એવું થાય કે સામાયિકમાં નથી બેસવું. દાદાશ્રી : મઝા શાથી નથી આવતી, તે હું જાણું છું. પ્રશ્નકર્તા : મને સામાયિકમાં કશું દેખાતું જ નથી. દાદાશ્રી : શેનું દેખાય પણ, આ બધાં લોચા વાળે છે ત્યાં ?! પ્રશ્નકર્તા : પોતાને ખબર પડે કે આ બધા લોચા વાળેલા છે, ત્યાર પછી દેખાય ને ? દાદાશ્રી : ના, પણ પહેલી તો પોતાને સમજણ જ પહોંચી નથીને ત્યાં, તે એને સમજાય નહીં, ત્યાં સુધી દેખાય શી રીતે ? આ શું વાત કહેવા માગે છે, તે જ સમજણ પહોંચી નથી ને ? તેમાં દાખલા આપું છું, ગાડાંનો દાખલો આપું છું, મિકેનિકલનો દાખલો આપું છું, પણ એકુંય સમજણ પહોંચતી નથી મહીં. હવે શું કરે તે ? પ્રશ્નકર્તા : ફિલમની જેમ દેખાવું જોઈએ ને ? દાદાશ્રી : શી રીતે દેખે પણ ? તમે જોનાર નથી, ગાડાંના માલિક નથી ને ? માલિક થાય તો દેખાય. અત્યારે તો તમે બળદના કહ્યા પ્રમાણે (પા. ૧૪૧)ચાલો છો. તે એને કશું ફિલમ ના દેખાય. પોતાના નિશ્ચયથી ચાલે તેને દેખાય બધું. પ્રશ્નકર્તા : સામાયિક કરવામાં ઈન્ટરેસ્ટ નથી, એટલે એવું થાય ને ? દાદાશ્રી : ઈન્ટરેસ્ટ ના હોય તેનું ચલાવી લેવાય, આનું ના ચલાવી લેવાય. આનાં જેવી કોઈ મૂર્ખાઈ કરતો હશે ? ત્યારે શું જોઈ એ કરતો હશે ? પ્રશ્નકર્તા : ‘આવું હું કરું છું’ એ હજુ ખબર પડતી નથી, સમજાતું નથી. દાદાશ્રી : સમજાતું જ નથી, નહીં ? ક્યારે સમજાશે ? બે-ત્રણ અવતાર પછી સમજાશે ? પૈણે તો પેલી સમજાવે. સમજાતું જ નથી, કહે છે ? આ ગાડાંનો દાખલો આપ્યો, પછી નિશ્ચયબળની વાત કરી. જે આપણું ધારેલું ના કરવા દે, એનું કંઈ મનાય ખરું ? મા-બાપનું નથી માનતા ને મનની વધારે કિંમત ગણે છે એમ ? પ્રશ્નકર્તા : પણ મને સામાયિકમાં કશું દેખાતું જ નથી. દાદાશ્રી : શું જોવાનું હોય, તે દેખાય ? પ્રશ્નકર્તા : આપ કહો છો ને કે ચાર વર્ષ સુધીનું દેખાય બધું. દાદાશ્રી : એ એવું ના દેખાય. એ તો ઊંડા ઊતરવાનું કહીએ ત્યારે દેખાય. મનના કહેવા પ્રમાણે ચાલે એ બધા ગાડાં જ ને ?! પછી દેખાય શી રીતે ? ‘દેખનારો’ જુદો હોવો જોઈએ, પોતાના નિશ્ચયબળવાળો ! અત્યાર સુધી મનનું કહેલું જ કરેલું. તેને લીધે એ બધું આવરણ એનું આવેલું. (પા. ૧૪૨)પ્રશ્નકર્તા : સામાયિક કરતા હોય અને સામાયિક કરવાનું મન ના પાડે ત્યાં ઉદયકર્મ ખરો ? દાદાશ્રી : ઉદયકર્મ ક્યારે કહેવાય કે નિશ્ચય હોવા છતાં નિશ્ચયને ઝંપવા ના દે, ત્યારે ઉદયકર્મ કહેવાય. પ્રશ્નકર્તા : વિચાર ઉદયકર્મને આધીન તો ફૂટતાં નથી ને ? દાદાશ્રી : પણ આપણો નિશ્ચય હોય તો સામાયિક કરવું. ના નિશ્ચય હોય, મહીં પ્રકૃતિને અનુકૂળ ના આવતું હોય, તો નહીં કરવું. બાકી વિચાર એ ઉદયકર્મને આધીન થાય છે. ‘તે આપણે જોવું,’ એ આપણા પુરુષાર્થની વાત છે. વિચારો જોઈએ તો, એ ઉદયકર્મ પૂરું થઈ ગયું ત્યાં. જોઈએ એટલે ખલાસ ! એમાં પરિણમીએ એટલે ઉદયકર્મ શરૂ થઈ ગયું ! ધ્યેય પ્રમાણે હાંકો...હજુ નાની બાબતમાં, એક નક્કી કર્યું કે મનનું નથી માનવું એટલે કામનું હોય એટલું માનવું ને ના કામનું હોય એ નહીં. ગાડું આપણા ધાર્યા રસ્તે જતું હોય તો આપણે ચાલવા દેવું. અને પછી આમ ફરતું હોય તો આપણે ધ્યેય પ્રમાણે ચલાવવું. દરેક બાબતમાં એવું કરવાનું હોય. આ તો કહેશે, એ આ બાજુ દોડે છે. હવે હું શું કરું ? હવે એ ગાડાંવાળાને કોઈ ઘરમાં પેસવા દે ? પ્રશ્નકર્તા : ના. પણ મહીં ગમતી હોય એ વસ્તુ કરવાની નહીં ? દાદાશ્રી : કોને ગમતું હોય એ કરવાનું ? આ હું નાસ્તો નથી કરતો. પણ ના ગમતું રાખવાનું એને. પ્રશ્નકર્તા : અમે તો સવારે ઊઠીને તમારી પાસે આવવાનું એવું રાખીએ. બીજો કોઈ નિશ્ચય નહીં. અમુક બાબતોમાં મન કહે એમ માનવું. વ્યવહાર જે માન્ય હોય એમ. દાદાશ્રી : આપણા કહ્યા પ્રમાણે ચાલવું. આપણે જરૂર હોય, (પા. ૧૪૩)આપણો ધ્યેય હોય, એ પ્રમાણે ચાલવું. આપણે બોરસદ જવા નીકળ્યા, પછી અડધો માઈલ ચાલ્યા, પછી મન કહેશે, ‘આજે રહેવા દોને !’ એટલે પાછો ફરે આ તો. તો ત્યાં પાછું ના ફરવું. લોકોય શું કહે ? અક્કલ વગરનાં છો કે શું ? જઈને પાછા આવ્યા. તમારું ઠેકાણું નહીં કે શું ? એવું કહે કે ના કહે લોકો ? મોક્ષે જવાનો નિશ્ચય ખરો કે તારો ? એમાં કશું આડું આવે તો ? મન મહીં બૂમાબૂમ કરે તો ? પ્રશ્નકર્તા : તોય નિશ્ચય ના ડગે. દાદાશ્રી : એનું નામ માણસ કહેવાય. આમને કુરકુરિયાંને શું કરવાનાં બધાં ને ? તને આ બધી વાતો સમજાય ? પ્રશ્નકર્તા : થોડું થોડું સમજાય છે. મને તો એવું જ લાગે છે કે મારો નિશ્ચય છે. દાદાશ્રી : શાનો નિશ્ચય તે ? મનના કહ્યા પ્રમાણે ચાલે છે તે ! નિશ્ચયવાળાને આવું મન હોતું હશે ? મન હોય પણ હેલ્પીંગ હોય, ફક્ત પોતાને જરૂરિયાત પૂરતું જ. જેમ બળદ હોય, તે પોતાના ધણીના કહ્યા પ્રમાણે ચાલે ને ! પણ આપણે આમ જવું હોય ને એ આમ જતા હોય તો ? છો ને બૂમો પાડેપ્રશ્નકર્તા : મનને ઈન્ટરેસ્ટ ના પડે, તો એ બૂમો તો પાડેને ? દાદાશ્રી : છોને બૂમો પાડે તે ! બધાંયને એવું બૂમો પાડે. મન તો બૂમો પાડે. એ તો ટાઈમ થાય એટલે બૂમો પાડે. બૂમો પાડે, તેથી શું કશું દાવા માંડવાના છે ? ઘડીવાર પછી પાછું કશુંય નહીં, એની મુદત પૂરી થાય એટલે. પછી આખો દહાડો બૂમ ના પાડે. જો મહીં તું ફસાયો તો ફસાયો. નહીં તો ના ફસાયો તો પછી કશુંય નહીં. તું સ્ટ્રોંગ રહે ને ! પ્રશ્નકર્તા : કેટલીક વખત સ્ટ્રોંગ રહેવાય. (પા. ૧૪૪)દાદાશ્રી : તારું મન તો શું કહેશે, ‘આ ભણતરેય પૂરું નથી કરવું.’ એવું કહે તો એવું કરવું ? પ્રશ્નકર્તા : દાદા કહે એવું કરું. દાદાશ્રી : અમે કંઈ તારું અહિત કરીએ ? તમે તમારી જાતનું અહિત કરો પણ અમારાથી થાય નહીં ને ? અમારા ટચમાં આવ્યા એટલે તમારું હિત જ કરવા માટે અમે બધી દવા આપી ચૂકીએ. છતાંય મન ના સુધરે, તો પછી એ એનો હિસાબ. બધા પ્રકારની દવાઓ આપીએ અને દવાઓ તો બધું મટી જાય એવી આપીએ. છતાંય પોતે જો આડો હોય તો પીવે જ નહીં ને ! પ્રશ્નકર્તા : નાક દબાવીને રેડી દેજો. દાદાશ્રી : નાક કોણ દબાવે ? આ કંઈ નાક દબાવવાથી નથી થાય એવું. તું કહેતો ન હતો કે મને સ્કૂલમાં જવાનું નથી ગમતું. નિશ્ચય તો હોવો જોઈએ ને કે મારે સ્કૂલ પૂરી કરવી છે. પછી આમ કરવું છે, તેમ કરવું છે. પછી બધાંની જોડે કાયમ સંગમાં રહેવું છે. બ્રહ્મચર્ય પાળવું છે. એવી આપણી યોજના હોય. આ તો વગર યોજનાએ જીવન જીવવું, એનો શો અર્થ ? પ્રશ્નકર્તા : કૉલેજમાં જવાનું તો, મને પણ નથી ગમતું. દાદાશ્રી : કૉલેજમાં જવું જ પડે ને ! બધાંના મનનું સમાધાન કરવું જ જોઈએ ને ? ફાધર-મધર, એમના મનનું સમાધાન કરીને મોક્ષે જવાનું. નહીં તો તું શી રીતે મોક્ષે જઉં ? એમ ઘરમાંથી બળવો કરીને નાસી ગયા એટલે થઈ ગયું ?! તો કંઈ મોક્ષ થઈ જાય ? એટલે તરછોડ ના વાગવી જોઈએ. પ્રશ્નકર્તા : આ બ્રહ્મચર્યની બાબતમાં કર્મનો સિદ્ધાંત એવો ખરો ? દાદાશ્રી : બ્રહ્મચર્ય એકલું તમે નભાવી શકો. આ કોઈએ નક્કી કર્યું હોય કે નથી પૈણવું, તો નભાવી શકો. આપણું જ્ઞાન એવું છે, તો (પા. ૧૪૫)નભાવી શકાય ! બીજાં કર્મો છોડે જ નહીં ને ? પ્રશ્નકર્તા : અમને આ લગ્નવાળું કર્મ પાછળ ના પડે ? દાદાશ્રી : બહુ ચીકણું હોય તો પાછળ પડે. અને તે ચીકણું હોય તો આપણને પહેલેથી ખબર પડે. એની ગંધ આવી જાય. પણ એ તો જ્ઞાનથી રાગે પડી જાય. આપણું આ જ્ઞાન એવું છે કે એ કર્મને પતાવી શકે. પણ આ બીજાં કર્મો તો ના પતે ને ! આ તો પેલા નાનાં નાનાં છોકરાઓએ નક્કી કર્યું છે ને કે ‘અમારે પૈણવું નથી.’ એનાં જેવી વાતો. કેટલુંક સમજ્યા વગર હાંકયે રાખે. નહીં પૈણો તેનો વાંધો નથી. ‘વ્યવસ્થિત’માં હોય અને ના પૈણે તો અમને વાંધો નથી. પણ ‘વ્યવસ્થિત’માં ના હોય અને પાછળ મોટી ઉંમરે બૂમાબૂમ કરે કે હું પૈણ્યા વગર રહી ગયો, તો કોણ કન્યા આપે ? પેલો છે તે બ્રહ્મચર્ય પાળી શકે. કારણ કે એ મનનું માનતો જ નથી. બિલકુલેય નહીં ને ! મનનું કશુંય માનવું ના જોઈએ. આપણો અભિપ્રાય જ માનવાનો ને મનનું થોડુંક માનીએ એટલે બીજી વખત ચઢી બેસે પછી તો. પ્રશ્નકર્તા : મન બતાવે કે સત્સંગમાં બેસવું છે તો ? દાદાશ્રી : એ આપણને અભિપ્રાય રહ્યા જ કરતો હોય તો કરવું. આપણા અભિપ્રાયમાં હોય તો કરવું. અભિપ્રાય ના હોય તો નહીં. પ્રશ્નકર્તા : મારું મન આવું બધું બતાવે કે સત્સંગમાં બેસવું છે, દાદા પાસે જવું છે. દાદાશ્રી : મારું કહેવાનું કે આપણા અભિપ્રાય પ્રમાણે જો મન થતું હોય તો આપણને એક્સેપ્ટ છે. પ્રશ્નકર્તા : મારે એ તો છે જ અંદર કે જ્ઞાની પુરુષના સત્સંગમાં જ પડી રહેવું છે. દાદાશ્રી : એ બધું ખરું. એ અભિપ્રાયવાળું મન થઈ જાય તો સારું, પણ મન જ્યારે સામું પડશે, તે ઘડીએ તને ડુબાડી દેશે. (પા. ૧૪૬)ન ચાલે વેવરીંગ માઈન્ડ આમાં...આપણું આજનું જ્ઞાન બ્રહ્મચર્ય પાળવાનું હોય અને ગયા વખતનું જ્ઞાન બ્રહ્મચર્ય પાળવાની હા પાડે. છ મહિના પછી પાછું નવી જ જાતનું બોલે, ‘પૈણવું જોઈએ.’ એવું, મનની સ્થિતિ એક ના હોય કોઈ દહાડોય, ડામાડોળ હોય, વિરોધાભાસવાળી હોય. પ્રશ્નકર્તા : છ મહિના પછી મન પૈણવાનું બતાવે, જુદું જુદું બતાવે. તો અમુક સમય આવો જ્ઞાનમાં જાય તો પછી મન એકધારું બતાવતું થઈ જાય ને ? પછી આડુંઅવળું બતાવતું બંધ ના થઈ જાય ? દાદાશ્રી : ના, એવું ના થાય, ઘૈડો થાય તોય પૈણવાનું કહે ને ! પોતે મનને કહેય ખરો કે ‘આ ઉંમર થઈ, છાનો બેસ !’ એટલે મનનું ઠેકાણું નથી. એમ સમજીને મનમાં ભળવાનું જ નહીં. આપણા અભિપ્રાયને માફક હોય એટલું મન એક્સેપ્ટેડ. જ્યાં સિદ્ધાંત છે બ્રહ્મચર્યનો...પ્રશ્નકર્તા : આમાં આપણે સિદ્ધાંત કયો કહેવો ? દાદાશ્રી : આપણે જે નક્કી કર્યું કે ભાઈ, આપણે બ્રહ્મચર્ય પાળવું છે. એટલે પછી મનનું સાંભળવું જોઈએ ? પ્રશ્નકર્તા : પછી એ બાબતમાં નથી જ સાંભળવું. દાદાશ્રી : નથી જ સાંભળવું. એ તો બહુ ડહાપણની વાત કરે છે. પણ છ મહિના જો એવું ને એવું નીકળે તો તું શું કરે ? છેદ જ ના મૂકે ત્યાં. હવે એ જ્યારે છેદ એવા મૂકે ત્યારે દેહેય છેડો નહીં મૂકે. દેહેય એની તરફ વળી જશે. એટલે બધાં એક બાજુ થઈ જશે. તે તને ફેંકી દેશે. એટલે કહી જ દેવાનું, આટલી બાબત અમારા કાયદાની બહાર તારે સ્હેજ પણ કશું કરવું નહીં. પ્રશ્નકર્તા : તો પછી ત્યાં સ્ટેપ કેવી રીતે માંડવું ? દાદાશ્રી : એટલે સ્ટ્રોંગ રહેજો. હું કહું છું કે આવું નીકળે તો તમે (પા. ૧૪૭)નાનામાં નાની બાબત માટે પણ સ્ટ્રોંગ રહેજો. સ્હેજ પણ ગળી જશો તો એ તમને ફેંકી દેશે, એટલે એને કહી દેવાનું કે આટલી બાબતમાં તારે અમારા કાયદાની બહાર સ્હેજ પણ જુદું ચાલવું નહીં. નાનામાં નાની બાબતમાં જાગૃતિ રાખો. નહીં તો પછી એ લપટું પડી જાય. પ્રશ્નકર્તા : પછી બીજા સિદ્ધાંત આપણા ? દાદાશ્રી : આટલું કરું તો બહુ થઈ ગયું ! જો પાછો બીજાનું પૂછ પૂછ કરે છે ! બીજું પછી ચલાવી લેવાય. તને કારેલાનું શાક ભાવતું હોય ને મન કહેશે, ‘વધારે ખાવ’. ને ધ્યેયને નુકસાન ન કરતું હોય ને થોડું વધારે ખાધું હોય તો ચલાવી લઈએ ! એવું નથી કહ્યું તમને ? પ્રશ્નકર્તા : હા, બ્રહ્મચર્યનો સિદ્ધાંત એ આપણો ઈન્ડીવિજ્યુઅલ (અંગત) થયો. પણ જ્યારે બે વ્યક્તિઓનો વ્યવહાર ઊભો થાય ત્યારે મન બધું બતાડે અને જ્ઞાને કરીને જોવા જાય તો આખું જ ઓન ધી સ્પોટ ઊડી જાય છે બધું. પણ વ્યવહાર પૂરો કરવો પડે એવું છે, જવાબદારી છે અને એનાં રીઝલ્ટ્સ (પરિણામ) બીજાને સ્પર્શ કરતાં હોય. ત્યાં મન બતાડે તો શું કરવું ? દાદાશ્રી : આપણો મુખ્ય સિદ્ધાંત ના તૂટવો જોઈએ. બ્રહ્મચર્ય પાળવું છે, એ સિદ્ધાંત ના તૂટવો જોઈએ. બીજું બધું તો પોતાનો વ્યવહાર સાચવવા થોડું ઘણું કરવું પડે. તું ત્યાં ના સૂઈ જઈશ. અહીં ઘેર સૂઈ જજે. ત્યાં એવું તેવું બધું કરીએ આપણે. પણ બીજું બધું તો, બ્રહ્મચર્ય પાળવું ને અબ્રહ્મચર્યનો સોદો કરવો, એ બે પોષાય નહીં. એનાં કરતાં પૈણી નાખજો. દહીંમાં ને દૂધમાં બેઉમાં રહેવાય નહીં. પછી ભગવાન આવે તોય ‘નહીં માનું’ એવું કહી દેવું. બીજું બધું ચલાવી લઈશું. જો તમારે સિદ્ધાંત પાળવો હોય તો. પ્રશ્નકર્તા : મન ફરી વળે, દેહ ફરી વળે, એવી પરિસ્થિતિ ઊભી ના થાય, તે માટે એના સ્ટાર્ટીંગ પોઈન્ટમાં (શરૂના તબક્કામાં) ચેતીને ચાલવાનું ? દાદાશ્રી : ચોગરદમ બધાં જ સંજોગો ફરી વળે. દેહેય પુષ્ટિ બહુ બતાવે. મન પણ પુષ્ટિ બતાવે. બુદ્ધિ એને હેલ્પ કરે. તમને એકલાને ફેંકી દે. (પા. ૧૪૮)પ્રશ્નકર્તા : મનનું સાંભળવા માંડ્યું, ત્યાંથી પોતાનું ચલણ જ ગયું ને ? દાદાશ્રી : મનનું સંભળાય જ નહીં. પોતે આત્મા-ચેતન, મન છે તે નિશ્ચેતન-ચેતન, જેને બિલકુલ ચેતન છે નહીં. કહેવા માત્રનું, વ્યવહાર ખાતર જ ચેતન કહેવાય છે. એ તો ત્રણ દહાડા મન પાછળ પડ્યું હોય તો તમે તે ઘડીએ ‘ચાલ, હેંડ ત્યારે’ કહો ને ! તારે કોઈ દહાડો મન પાછળ પડેલું ? એવું કરવું પડેલું કશું ? પહેલું ના કહું, ના કહું, પછી મન બહુ પાછળ પડ પડ કરે એટલે કરે તું ? પ્રશ્નકર્તા : હા, બનેલું. દાદાશ્રી : એનું શું કારણ ? મન બહુ ‘કહે કહે’ કરે એટલે પછી તે રૂપ થઈ જાય. એટલે ચેતતા રહેજો. તમારા અભિપ્રાયને મન તમારું ખાઈ ના જવું જોઈએ. અભિપ્રાયમાં રહી અને જે જે કામ કરતું હોય, તે આપણને એક્સેપ્ટ છે. તમારા સિદ્ધાંતને તોડતું ન જ હોવું જોઈએ. કારણ કે ‘તમે’ સ્વતંત્ર થયા છો, જ્ઞાન લઈને. પહેલાં તો મનના આધીન જ હતા ‘તમે’. ‘મનકા ચલતા તન ચલે !’ જ હતું ને ! પ્રશ્નકર્તા : એટલે બ્રહ્મચર્યનો સિદ્ધાંત એ બહુ મોટી વસ્તુ અને અનિવાર્ય વસ્તુ છે. દાદાશ્રી : એટલી જ વસ્તુ ને ! ત્યારે મોટામાં મોટી વસ્તુ એ છે ને ! એ પુરુષાર્થ કરવા માટેની વસ્તુ છે. ચાલો, સિદ્ધાંત પ્રમાણેઅત્યારે તો તમારું મન તમને ‘પૈણવા જેવું છે નહીં, પૈણવામાં બહુ દુઃખ છે’ એવું હેલ્પ કરે. આ સિદ્ધાંત બતાડનારું તમારું મન પહેલું. આ જ્ઞાનથી તમે સિદ્ધાંત નથી નક્કી કર્યો, આ તમારા મનથી નક્કી કર્યો છે. ‘મને’ તમને સિદ્ધાંત બતાવ્યો કે ‘આમ કરો.’ (પા. ૧૪૯)પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય પાળવાનો સિદ્ધાંત મન બતાડે છે, એમ આ વિષય સંબંધીનું પણ મન જ બતાડે ? દાદાશ્રી : એનો ટાઈમ આવશે ત્યારે પછી છ-છ મહિના, બાર-બાર મહિના સુધી એ બતાવ બતાવ કરશે. પ્રશ્નકર્તા : એ પણ મન જ ? દાદાશ્રી : હા. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ બધાં ભેગાં થાય ત્યારે. હું આ બધાંને કહું છું કે મનના કહ્યા પ્રમાણે શું ચાલો છો ? મન મારી નાખશે. તમે જે બ્રહ્મચર્યનો નિયમ લીધો, તેય મનના કહ્યા પ્રમાણે જ કરેલું છે આ. આ છે તે જ્ઞાનથી સિદ્ધાંત નક્કી નથી કર્યો. ‘મને’ એમ કહ્યું કે, આમાં શું મઝા છે ? આ લોકો પરણીને દુઃખી છે. આમ છે, તેમ છે, એમ ‘મને’ જે દલીલ કરી, એ દલીલ તમે એક્સેપ્ટ કરીને તમે સ્વીકાર કર્યો. પ્રશ્નકર્તા : તો જ્ઞાને કરીને આ સિદ્ધાંત પકડાયો નથી હજુ ? દાદાશ્રી : જ્ઞાને કરીને શાનો પકડાયો ? આ તો હજુ મનની દલીલ ઉપર ચાલ્યું. હવે જ્ઞાન તમને મળ્યું છે, તે હવે જ્ઞાનથી એ દલીલને તોડી નાખો. એનું ચલણ જ બંધ કરી દો. કારણ કે દુનિયામાં આત્મજ્ઞાન એકલું જ એવું છે કે જે મનને વશ કરી શકે. મનને દબાવી રાખવાનું નહીં. મનને વશ કરવાનું છે. વશ એટલે જીતવાનું. આપણે બેઉ કચ કચ કરીએ, તેમાં જીતે કોણ ? તને સમજાવીને હું જીતું. તો તું પછી ત્રાસ ના આપું ને ? અને સમજાવ્યા વગર જીતું તો ? પ્રશ્નકર્તા : સમાધાન થાય તો મન કશું ના બોલે. દાદાશ્રી : હા. સમાધાની વલણ જોઈએ. તમને આ બ્રહ્મચર્યનું કોણે શીખવાડેલું ? બ્રહ્મચર્યને આ લોકો શું સમજે ? આ તો એમ સમજી ગયેલો કે ‘આ ઘરમાં ઝઘડા છે, તેથી પૈણવામાં મઝા નથી. હવે એકલા પડી રહ્યા હોઈએ તો સારું.’ (પા. ૧૫૦)પ્રશ્નકર્તા : એવું ખરું કે મન જેટલું વૈરાગ્ય બતાડે છે, એટલું પાછું એક વખત આવું પણ બતાડશે ? દાદાશ્રી : મનનો સ્વભાવ શું ? એ વિરોધાભાસી, તે બન્ને તત્ત્વ દેખાડે. માટે આ ચેતવાનું કહું છું. પ્રશ્નકર્તા : મન એક વખત બ્રહ્મચર્યનું, વૈરાગ્યનું બતાડશે એવું રાગ પણ બતાડે એવું ખરું ? દાદાશ્રી : હા. ચોક્કસ ને ! પછી એ રાગનું દેખાડે. પ્રશ્નકર્તા : એવો ફોર્સ હોય ? દાદાશ્રી : એથી વધારે હોય અને ઓછોય હોય. એનો કાંઈ નિયમ નથી. સિદ્ધાંત શું કહે છે ? ગરમ નાસ્તો ખાવ. ટાઢો ના લેશો. ને છતાંય રોજ બે મઠિયાં ખવડાવવાના. એ મન કહે કે, ‘પાંચેક મઠિયાં ખાઈએ.’ ત્યારે અમે કહીએ, ‘ફરી, હમણે નહીં મળે. આ દિવાળી પછી.’ એ હઉ કહું એટલું. પ્રશ્નકર્તા : એટલે પાર્શીયલ (અંશતઃ) સિદ્ધાંતનું રાખ્યું ને પાર્શીયલ મનનું રાખ્યું. ત્યારે એનું સમાધાન થયું ને ? દાદાશ્રી : ના. એવું નહીં. એ સિદ્ધાંતને નુકસાન ના કરતું હોય તે બાબતમાં, એને જરા નોબીલિટી (વિશાળતા) જોઈએ છે, ત્યાં નોબલ રહેવું જોઈએ આપણે. તમને શું લાગે છે આમાં ? તમારો નિશ્ચય મનથી કરેલો કે સમજણપૂર્વકનો ? પ્રશ્નકર્તા : મનથી જ કરેલો. દાદાશ્રી : જ્ઞાન છે એટલે પહોંચી વળાય. નહીં તો હું તમને કહું જ નહીં ને ! કશુંય ના બોલું. જ્ઞાન ના હોય તો હું તમને આ સિદ્ધાંતની વાત કરું જ નહીં. ના પહોંચી શકે માણસ. (પા. ૧૫૧)નિશ્ચયો, જ્ઞાન અને મનનાપ્રશ્નકર્તા : મનના આધારે થયેલો નિશ્ચય અને જ્ઞાને કરીને થયેલો નિશ્ચય, એનું ડિમાર્કેશન (ભેદાંકન) કેવી રીતે હોય છે ? દાદાશ્રી : જ્ઞાને કરીને કરેલા નિશ્ચયમાં તો બહુ સુંદર હોય. એ તો બહુ જુદી વસ્તુ છે. મન જોડે કેમ વર્તવું, એ તો બધી સમજણ હોય જ. એને પૂછવા ના જવું પડે કે મારે શું કરવું ?! જ્ઞાને કરીને નિશ્ચય, તે તો વાત જુદી જ ને ! આ તો તમારા મનથી કરેલું છે ને ?! એટલે તમારે જાણવું જોઈએ કે કો’ક દહાડો ચઢી બેસશે. પાછું મન જ ચઢી બેસે ! જે ‘મને’ આ ટ્રેનમાં બેસાડયા તે જ ‘મન’ ટ્રેનમાંથી પાડી નાખે. એટલે જ્ઞાને કરીને બેઠા હોય તો ના પાડી નાખે. પ્રશ્નકર્તા : મનથી અત્યાર સુધી થયેલો નિશ્ચય, એ જ્ઞાને કરીને થઈ જવા માટે શું કરવું ? દાદાશ્રી : હવે જ્ઞાને કરીને તમારે એને ફીટ કરી દેવાનું એટલે બ્રહ્મચર્યની દોરી આપણા હાથમાં આવી જવી જોઈએ. પછી મન ગમે તેટલું બૂમ પાડે તોય તેનું કશું ચાલે નહીં. બે-પાંચ વર્ષ સુધી તું સામું બોલે અને પેલો કહે, ‘પૈણ, પૈણ.’ અને બધા સંજોગો વિપરીત થાય તોય આપણે ખસીએ નહીં. કારણ કે આત્મા જુદો છે બધાથી. બધા સંયોગી, વિયોગી સ્વભાવનાં છે. પ્રશ્નકર્તા : જ્ઞાને કરીને નિશ્ચય થયેલો હોય તો એનું મન સામું થાય જ નહીં ને આવું ? દાદાશ્રી : ના. ના થાય. જ્ઞાને કરીને નિશ્ચય થયેલો હોય તો એનાં ફાઉન્ડેશન (પાયા) જ જુદી જાતનાં ને ! એનાં બધા આર.સી.સી.ના ફાઉન્ડેશન હોય. અને આ તો રોડાંનો, મહીં ક્રોંક્રીટ કરેલું. પછી ફાટ જ પડી જાય ને ? આપ્તપુત્રોની પાત્રતાપ્રશ્નકર્તા : આપની દ્રષ્ટિમાં કેવું હોય ? આ લોકો (આપ્તપુત્રો) (પા. ૧૫૨)કેવા તૈયાર થવા જોઈએ ? દાદાશ્રી : સેફસાઈડ ! બીજું જ્ઞાન ના હોય, તેનો વાંધો નહીં. બીજા લોકોને ઉપદેશ આપવાનો, એવું તેવું ના હોય તેનો વાંધો નહીં. એમના જે સિદ્ધાંતને સેફસાઈડ રીતે રહી શકે. પ્રશ્નકર્તા : એટલે બ્રહ્મચર્યનો સિદ્ધાંત ? દાદાશ્રી : બ્રહ્મચર્ય એકલું નહીં, બધી રીતનો સિદ્ધાંત. કષાય કોઈની જોડે ના થાય. કોઈની જોડે કષાય કરવો એ ગુનો છે. જ્ઞાન મળ્યા પછી કષાય કરવો, એ શોભે જ નહીં ને ! બ્રહ્મચર્ય અને કષાયનો અભાવ. પ્રશ્નકર્તા : સેફસાઈડની બાઉન્ડ્રી કઈ ? દાદાશ્રી : સામેની વ્યક્તિ આપણને જુદાં માને ને આપણે એને એક માનીએ. એ આપણને જુદો માને, કારણ કે એ બુદ્ધિના આધીન છે એટલે. જુદાં માને ને ? આપણને બુદ્ધિ ના હોવી જોઈએ. એટલે એકતા લાગે, અભેદતા ! પ્રશ્નકર્તા : સામો ભેદ પાડ પાડ કરે ત્યારે ? દાદાશ્રી : એ સારું ઊલટું. એ તો એને બુદ્ધિ છે, એટલે શું કરે ? એની પાસે જે હથિયાર હોય એ જ વાપરે ને ?! પ્રશ્નકર્તા : તો આપણે કઈ રીતે અભેદતા રાખવી એની જોડે ? દાદાશ્રી : પણ એ કરે છે, એ તો પરવશ થઈને કરે છે ને બિચારો ! અને એમાં એ દોષિત શું છે ? એ તો કરુણા ખાવા જેવાં. પ્રશ્નકર્તા : એના પર થોડીવાર કરુણા રહે. પછી એમ થાય કે, ‘આના પર તો કરુણા રાખવા જેવીય નથી.’ એવું થાય. દાદાશ્રી : ઓહો ! એવું તો બોલાય જ નહીં. આવો અભિપ્રાય તો બહુ ડાઉન લઈ જાય આપણને ! આવું ના બોલાય. પ્રશ્નકર્તા : કરુણા રાખવા જેવી નથી, એ ડબલ અહંકાર કહેવાય ! (પા. ૧૫૩)દાદાશ્રી : અહંકારનો સવાલ નથી. ‘કરુણા રાખવા જેવી નથી’ એવું ના બોલાય. એ આપણને એમ નથી કહેતો કે તમે મારી પર કરુણા રાખો. એ તો ઊલટાં પાછા કહે, ‘ઓહોહો ! મોટા કરુણા રાખવાવાળા આવ્યા !’ એટલે બધું ખોટું. પ્રશ્નકર્તા : કરુણા રાખવાનો પ્રયત્ન જ ના હોય ને ? દાદાશ્રી : કરુણા એ તો સહજ સ્વભાવ છે. પ્રશ્નકર્તા : આ જે પ્રયત્ન કરવા માંડ્યો, એના રીએકશનમાં ‘નથી રાખવા જેવું’ થયું ને ? દાદાશ્રી : એ તો ખોટું. એ વાત જ ખોટી. કરુણા બોલાય જ નહીં આપણાથી. એને અનુકંપા કહેવાય. કરુણા તો બુદ્ધિથી ઉપર જાય ત્યારે કરુણા કહેવાય. (પા. ૧૫૪)[6] ‘પોતે’ પોતાને વઢવોપોતાને ઠપકારી સુધારોપ્રશ્નકર્તા : આપની પાસે આજ્ઞા લીધી. પછી જરાક ઘરે ગયા પછી બગડી ગયું. દાદાશ્રી : અબ ક્યા હોગા ? ઐસા હો ગયા ફિર અલીખાન ક્યા કરે (!) ? પ્રશ્નકર્તા : આવું કેમ થાય ? આવું થવાનું કારણ શું ? દાદાશ્રી : અણસમજણ આપણી. અહીંથી નક્કી કરીને ગયા હોય કે મારે ઘેર જઈને દવા પી લેવી, પણ ના પીવે તો પછી આપણી અણસમજણ જ કહેવાય ને ! આ ભાઈએ જુઓને ખખડાવ્યો હતો પોતાની જાતને, ધમકાવી નાખ્યો. આ રડતો હતો હઉ, એ ખખડાવતો હતો, બેઉ જોવા જેવી ચીજ. પ્રશ્નકર્તા : એક વાર બે-ત્રણ વખત ચંદ્રેશને ટૈડકાવેલો, ત્યારે બહુ રડેલો પણ ખરો. પણ મને એમ પણ કહેતો હતો કે હવે આવું નહીં થાય, છતાં ફરીથી થાય છે. દાદાશ્રી : હા. એ તો થવાનું તો ખરું, પણ એ તો વારેઘડીએ પાછું કહેવાનું, આપણે કહેતાં રહેવાનું ને એ થયા કરવાનું. કહેવાથી આપણું જુદાપણું રહે. તન્મયાકાર ના થઈ જઈએ. એ પાડોશીને વઢીએ એવી રીતે ચાલ્યા કરે. એમ કરતું કરતું પૂરું થઈ જાય અને બધી ફાઈલો પૂરી થઈ જશે ને !_ (પા. ૧૫૫)વિચારોને જોયા કરવા. ‘તો તમે મહીં ભરાઈ રહ્યા છે !’ એવું કહેવું આપણે ઊલટું ! ‘આટલો બધો કરફ્યુ મૂકયો તોય હજુ પેસી ગયા છો ?’ કહીએ ! માટે ‘ભાગો, નહીં તો આ કરફ્યુ છે’ કહીએ, ‘હવે, આવી બન્યું જાણો.’ બ્રહ્મચર્ય બરાબર પળાય એટલે ધીમી ધીમી અસર થવા માંડે. આ મોઢા ઉપર તેજ આવતું જાય. પણ હજુ બહુ ખાસ મોઢા ઉપર બહુ તેજ નથી દેખાતું. ખોટ નથી દેખાતી પણ તેજ તો દેખાતું નથી બરોબર ! પ્રશ્નકર્તા : એનું શું કારણ હશે ? દાદાશ્રી : દાનત ! દાનત તારી ખરાબ છે. ક્યાંથી તેજ દેખાય ? એ તો જોતાં પહેલા તારી દાનત બગડી જાય છે. વિષય-વિકાર તો હોતા હશે, બ્રહ્મચારી થયા પછી ?! પ્રશ્નકર્તા : એ માટે શું કરવું જોઈએ ? આ દાનત આવી છે એટલે દાનત સુધરે, એના માટે શું કરવું જોઈએ ? એનો ઉપાય શું ? દાદાશ્રી : વિચાર આવે છે તે હું ન્હોય. આપણે એને ટૈડકાવો જોઈએ. તું શું ટૈડકાવતો’તો ? ચંદ્રેશને ટૈડકાવતો હતો ને ? તે કોઈ દહાડો ટૈડકાવ્યો છે ? પછી પંપાળ પંપાળ કરું તો શું થાય ? એને ટૈડકાવીએ ને, બે ધોલો મારી દઈશ, એમ કહીએ. રડે તો ચંદ્રેશ. તું ટૈડકાવતો હોય અને ચંદ્રેશ રડતો હોય ! એવું થશે ત્યારે રાગે પડશે. નહીં તો અણહક્કના વિષય-વિકાર તો નર્કગતિમાં લઈ જાય. એનાં કરતાં પૈણું તો સારું, એ હક્કનો તો ખરો ! વિષય-વિકારની ઈચ્છાઓ થતી નથી ? પ્રશ્નકર્તા : એવું કો’ક વાર વિચાર આવે છે ! દાદાશ્રી : પણ તે કો’ક વખત ને ? એટલે રોજ જમવાનો વિચાર આવે છે, એવું નહીં ને ? એ કો’ક કો’ક વખતે હાજર થાય વખતે. કો’ક દા’ડે વરસાદ પડે એવું ? પ્રશ્નકર્તા : એ કો’ક દા’ડે. એટલે પહેલાં આમ બહુ આવતા’તા ને આખો દહાડે, એ બંધ થઈ ગયા. (પા. ૧૫૬)દાદાશ્રી : અને હજુ તો વધુ ટાઈમ જશે ને એટલે એ દિશા જ બંધ થઈ જશે. જ્યાં આગળ જે દિશામાં આપણે જવું’તું એ દિશા આપણે નક્કી થઈ જાય, પછી પાછલી બધી અડચણ આવતી બંધ થઈ જાય ને પછી એ દિશા જ બંધ થઈ જાય. પછી આવે નહીં. પછી અમારા જેવું રહેવાય. એવું ઉત્પન્ન થઈ જાય. પ્રશ્નકર્તા : હમણાં આ થ્રી વિઝન સારું રહે છે. દાદાશ્રી : થ્રી વિઝન તો બહુ કામ કાઢી નાખે. નિદિધ્યાસન દાદાનું રહે છે ને ? એ નિદિધ્યાસનથી બધું ફળ મળે. નિદિધ્યાસન પછી ઈચ્છા જ ના થાય કોઈ ચીજની. ભીખ જ ના હોય. વિષયનો વિચાર આવે તોય કહીએ, ‘હું ન્હોય’ આ જુદું, એને ટૈડકાવો પડે. ચંદ્રેશને ‘આમ કર, આમ કામ કર, આમ કામ કર’ ઊલટી આપણે દોરવણી કરવી. ના કરતો હોય તો આપણે એવું જરા કહેવું પડે કે આ બધાંની જોડે નહીં ચાલો તો, તમારી શી દશા થશે ? હાંકનાર તો જોઈએ કે ના જોઈએ ? પ્રશ્નકર્તા : જોઈએ. દાદાશ્રી : એટલે આ જ્ઞાન આપ્યું છે, શુદ્ધાત્મા રહે જ. હવે એમાં જો ચૂક ના ખઈશ, હવે જે કંઈ આવે તે બધું ચંદ્રેશનું છે. એટલે ચંદ્રેશની જોડે તારે ભાંજગડો કર્યા કરવી. ‘તું તો પહેલેથી એવો જ છું, મારે લેવા દેવા નથી.’ એવું તારે કહી દેવું. ‘જો સીધો ચાલ. સીધો ચાલવું હોય તો ચાલ, નહીં તો પછી હું તો હપૂચો તરછોડ કરી દઈશ’ કહીએ. કિંચિત્માત્ર દુઃખ એ મારું સ્વરૂપ ન્હોય. કિંચિત્માત્ર મહીં આ ઉપાધિ થાય એ સ્વરૂપ મારું ન્હોય. દાદાએ મને જે આપ્યું છે એ નિર્ઉપાધિપદ, પરમાનંદી પદ આપ્યું છે, એ મારું સ્વરૂપ છે. થોડું થોડું ચંદ્રેશનેય ટૈડકાવતો રહે. કોઈ ટૈડકાવનાર નહીં તને. તને ટૈડકાવે તેને તું કૈડી ખઉં એવો છું. તને ધોલ મારવાની ટેવ છે ને ? તે કહીએ, ચંદ્રેશ, તને ધોલો મારીશ હવે તો. કંઈ પણ મહીં એ લાગે, એ (પા. ૧૫૭)વિષય વિકારી વિચાર એટલે સમજી જવાનું કે આ ચંદ્રેશ, હું ન્હોય. કંઈ પણ ફેરફાર થાય એ ચંદ્રેશ, આપણે નહીં. આપણામાં હોય જ નહીં ને ! પ્રશ્નકર્તા : પોતાના બધા દોષો જલ્દી નીકળી જાય, એના માટે શું કરવું જોઈએ ? દાદાશ્રી : જલ્દી વળી હોતું હશે ? એક દોષ કાઢી નાખવા જેવો થયો છે જલ્દી. એ તો ભ્રાંતિથી આ દોષ ઉત્પન્ન થાય છે, વિષય-વિકાર એકલો જ. બીજા બધાં દોષો તો એની મેળે ટાઈમ પર જ જાય, એકદમ જલ્દી ના જાય. આ વિષય-વિકાર તો એક જાતની ખાલી ભ્રાંતિ છે. પ્રશ્નકર્તા : આમાંથી પાર ઊતરી જવાશે, એવી શ્રદ્ધા બેસી ગઈ છે આમ. દાદાશ્રી : બેસી જાય. નીકળી જવાય આમ કરતાં કરતાં. દસ વર્ષ કાઢી નાખ્યાને એટલે એમ થયે પછી હવા જુદી આવે. અત્યારે ખીણમાં છે એટલે લાગે એવું. ખીણમાંથી બહાર નીકળ્યા એટલે ‘ફક્કડ’ ! બિમારી નીકળીને એટલે ગભરામણ થાય જરા. પણ મારીએ રોફ ને, ચંદ્રેશને ‘તારા મનમાં શું સમજુ છું ?’ કહીએ. પણ મને પૂછીને ટૈડકાવજે, હો. નહીં તો બ્લડપ્રેશર પર અસર થઈ જાય. પછી અહીં છટકયા એટલે પોતે ફાવ્યા. પછી બીજી મૂંઝવણને મૂંઝવણ ગણશો નહીં. અમે ઈશારો કરીએ તમને, અમે જાણીએ છીએ કે તમે જુવાન ઉંમરના છો. ભેગા મળીને કામ કરે ત્યાં એ ભાગીદાર, જવાબદારીનું કામ કરે. ભાગીદારીમાં એ ભેગા કામ કરે, એ બંનેને ભોગવવું પડે. પણ જો જુદા રહીને કરેને, તો સહુ સહુની જવાબદારી. એટલે તમે જુદા રહીને કરો એટલે પછી ચંદ્રેશને એકલાને જ ભોગવવાનું. તમારે નહીં ભોગવવાનું અને પેલું તો તમારે ને ચંદ્રેશને બન્નેને ભોગવવાનું. છે પ્રકૃતિનું, આત્માએ કર્યું એવું ના હોય, તો રાગે પડશે. પતાવો પ્રકૃતિને પટાવીનેપ્રશ્નકર્તા : દરેકે પોતાની ફાઈલ જોઈને કરવું જોઈએ. દરેકની (પા. ૧૫૮)ફાઈલને જુદી જુદી દવા માફક આવે. એકસરખી દવા ના માફક આવે. મારી ફાઈલને એવું વઢવાની કડક દવા માફક ના આવે. દાદાશ્રી : હા, કોઈને પ્રેશર વધી જાય, કોઈને કશું એવું થઈ જાય. પ્રશ્નકર્તા : તો આ બધા એકબીજાનું જોઈ જોઈને કરવા જાય આમ. દાદાશ્રી : ના, જોઈ જોઈને કરશો નહીં. મને પૂછવું એ. એ મેં કહ્યું છે. અલ્યા, કોઈ કરશો નહીં, ગેટ-આઉટ, ગેટ-આઉટ કહીએ તો બ્લડપ્રેશર વધી જાય. એટલે તમારે તો અરીસામાં જોઈને કહેવું કે ભઈ હું છું, તારી સાથે. તું ગભરાઈશ નહીં, કહીએ. એમાં પ્રેશર ના થઈ જાય. નિશ્ચય જોઈએ આમાં, નિશ્ચય. પ્રશ્નકર્તા : તમે જે પ્રયોગો બતાવો છો ને, અરીસામાં સામાયિક કરવાનું. પછી પ્રકૃતિ સાથે વાતચીત કરવાની, એ પ્રયોગ બધા બહુ સારા લાગે છે. પછી બે-ત્રણ દિવસ સારું થાય, પછી એમાં કચાશ આવી જાય છે. દાદાશ્રી : કચાશ આવે તો પાછું ફરી નવેસર કરવું. જૂનું થાય એટલે બધું કચાશ જ આવે. પુદ્ગલનો સ્વભાવ જૂનું થાય એટલે બગડતું જાય અને નવી પાછી ગોઠવણી કરીને મૂકી દેવાનું. પ્રશ્નકર્તા : એટલે એ પ્રયોગ દ્વારા જ કાર્ય સિદ્ધ થઈ જવું જોઈએ. એ થતું નથી ને અધવચ્ચે પૂરો થઈ જાય છે પ્રયોગ. દાદાશ્રી : એમ કરતાં કરતાં સિદ્ધ થાય, એકદમ ના થઈ જાય. પ્રશ્નકર્તા : એ પ્રયોગ અધૂરો હોય અને પછી બીજો પ્રયોગ પાછો કરીએ. એ અધૂરો મૂકીએ. ત્રીજો પ્રયોગ કંઈ બતાવે. એમાં અધૂરો એટલે બધા અધૂરા રહે છે. દાદાશ્રી : એ આપણે ફરી પૂરા કરવા, ધીમે ધીમે એક એક લઈને. અરીસાનો પ્રયોગ પૂરો નહીં કર્યો ? પ્રશ્નકર્તા : ના, એટલે જ્યારે કરીએ એટલો લાભ થાય. પણ (પા. ૧૫૯)આપણે પછી જે છૂટાપણું રહેવું જ જોઈએ. આ ભાઈને જે છૂટો જોઉં છું, એમ પછી પરમેનન્ટ નથી જોવાતું. પ્રકૃતિને જાણીએ ખરા, જુદી છે. દાદાશ્રી : કેટલું વઢ્યો’તો એ, રડ્યો ત્યાં સુધી વઢ્યો’તો. તે બોલો હવે કેટલું છૂટું પડી ગયું ?! તું કંઈ વઢ્યો હતો એવું કોઈ દહાડો ? રડે એવો ? પ્રશ્નકર્તા : રડ્યો નહોતો, પણ ઢીલો થઈ ગયો’તો. દાદાશ્રી : ઢીલો થઈ ગયો’તો. તું ટૈડકાવું તો સીધો થઈ જાય ખરો ! ત્યારે પછી એ પ્રયોગ કેટલો કિંમતી પ્રયોગ છે. લોકોને આવડે નહીં. જુઓને, આ ભઈ બેસી રહે ઘેર, પણ આવો પ્રયોગ ના કરે. પ્રશ્નકર્તા : અમે હઉ બેસી રહીએ છીએ. એટલે એમાં કચાશ છે કે પછી પ્રયોગનું મહત્ત્વ સમજાયું નથી કે પછી આમાં હકીકત શું બને છે ? દાદાશ્રી : એટલો ઉલ્લાસ ઓછો છે. (પા. ૧૬૦)[7] પસ્તાવા સહિતના પ્રતિક્રમણોપ્રત્યક્ષ આલોચનાથી, રોકડું છૂટાયથ્રી વિઝનથી તો બધું રાગે પડી જ જાયને ! પ્રશ્નકર્તા : મારી દ્રષ્ટિ પડે ને ક્યારેક, તો મને થાય કે અરેરે ! આ દ્રષ્ટિ ક્યાં પડી ?! પ્રતિક્રમણ કરવું પડશે. કંટાળો આવે. દાદાશ્રી : પણ કંટાળો આવે ને, એ તો દ્રષ્ટિ પડી જાય છે. આપણે પાડવી નથી છતાં પડી જાય છે. માટે પુરુષાર્થ કરવાનો અને પ્રતિક્રમણેય કરવાની જરૂર છે. પ્રશ્નકર્તા : અમુક વસ્તુનો એટલો બધો ગુસ્સો આવે છે કે, એમ થાય છે કે આ કેમ આવું થાય છે ? સમજમાં નથી આવતું ? દાદાશ્રી : ગયા ફેરે પ્રતિક્રમણ ના કર્યા. તેથી આ ફેરે ફરી દ્રષ્ટિ પડે છે. હવે પ્રતિક્રમણ કરશું એટલે ફરી નહીં પડે, આવતા ભવમાં. પ્રશ્નકર્તા : અમુક વખત તો પ્રતિક્રમણ કરવાનો કંટાળો આવી જાય છે. એકદમ એટલા બધાં કરવા પડે. દાદાશ્રી : હા, આ અપ્રતિક્રમણનો દોષ છે. તે ઘડીએ પ્રતિક્રમણ ના કર્યા, તેને લઈને આજે આ બન્યું. હવે પ્રતિક્રમણ કરવાથી ફરી દોષ ઊભો નહીં થાય. પ્રશ્નકર્તા : પણ અમુક વખતે તો ઘણાં બધાં પ્રતિક્રમણ કરીએ છીએ ને પાછું પ્રતિક્રમણ કરવાનું એટલે બહુ ગુસ્સો આવે ? આમ કેમ થઈ જાય છે ? (પા. ૧૬૧)દાદાશ્રી : મહીં બગડ્યું હોય, તે વખતે તો પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવું. અને પછી દાદા પાસે રૂબરૂ આવીને કહી દેવું કે આવું અમારું મન બહુ બગડી ગયું’તું. દાદા, તમારાથી કંઈ છૂપું રાખવું નથી. એટલે બધું ઊડી જાય. અહીંની અહીં જ દવા આપીએ. બીજા કોઈને દોષ બેઠો હશેને તે અમે ધોઈ આપીશું. જ્યાં ઈન્ટરેસ્ટ ત્યાં કરો પ્રતિક્રમણપ્રશ્નકર્તા : પેલી ફરી ફરી દ્રષ્ટિ ખેંચાય, એકની એક જગ્યાએ દ્રષ્ટિ ખેંચાય, એ તો ઈન્ટરેસ્ટ (રુચિ) હોય તો જ, એવું ના કહેવાય ? દાદાશ્રી : ઈન્ટરેસ્ટ જ ને ? ઈન્ટરેસ્ટ વગર તો દ્રષ્ટિ ખેંચાય જ નહીંને ? પ્રશ્નકર્તા : મહીં રુચિ ખરી. દ્રષ્ટિ ખેંચાય એનું પ્રતિક્રમણ થાય, પછી રાત પડી કે પાછું દ્રષ્ટિ ત્યાં આગળ જાય, રુચિ થાય, એનું પ્રતિક્રમણ થઈ જાય, એ ચેપ્ટર (પ્રકરણ) પૂરું થઈ ગયું. પાછી પાંચ-દસ મિનિટ અસર થાય. એટલે થાય કે આ શું ગરબડ છે ? દાદાશ્રી : એ ફરી ધોઈ નાખવું જોઈએ, એટલું જ બસ. પ્રશ્નકર્તા : બસ એટલું જ ? બીજું મનમાં કાંઈ રાખવાનું નહીં ? દાદાશ્રી : આ માલ આપણે ભરેલો છે અને જીમ્મેદારી આપણી છે. એટલે આપણે જોયા કરવાનું, ધોવામાં કાચું ના રહી જવું જોઈએ. પ્રશ્નકર્તા : કપડું ધોવાઈ ગયું કોને કહેવાય ? દાદાશ્રી : આપણને પોતાને જ ખબર પડે કે મેં ધોઈ નાખ્યું. પ્રતિક્રમણ કરીએ એટલે. પ્રશ્નકર્તા : મહીં ખેદ રહેવો જોઈએ ? દાદાશ્રી : ખેદ તો રહેવો જ જોઈએ ને ? ખેદ તો જ્યાં સુધી આ નિવેડો ના આવે ત્યાં સુધી ખેદ તો રહેવો જ જોઈએ. આપણે તો જોયા (પા. ૧૬૨)કરવાનું. ખેદ રાખે છે કે નહીં તે. આપણે આપણું કામ કરવાનું છે, એ એનું કામ કરે. પ્રશ્નકર્તા : આ બધું ચીકણું બહુ છે. એમાં થોડો થોડો ફરક પડતો જાય છે. દાદાશ્રી : જેવો ભરેલો દોષ એવો નીકળે. પણ તે બાર વર્ષે કે દસ વર્ષે-પાંચ વર્ષે બધું ખાલી થઈ જશે, ટાંકીઓ બધું સાફ કરી નાખશે. પછી ચોખ્ખું ! પછી મજા કરો ! પ્રશ્નકર્તા : એક વખત બીજ પડી ગયું હોય એટલે રૂપકમાં તો આવે જ ને ? દાદાશ્રી : બીજ પડી જ જાયને ! એ રૂપકમાં આવવાનું પણ જ્યાં સુધી એનો જામ થયો નથી, ત્યાં સુધી ઓછા-વત્તા થઈ જાય. એટલે મરતાં પહેલાં એ ચોખ્ખો થઈ જાય. તેથી અમે વિષયના દોષવાળાને કહીએ છીએ ને કે વિષયના દોષ થયા હોય, બીજા દોષ થયા હોય, તેને કહીએ કે, રવિવારે તું આમ ઉપવાસ કરજે ને આખો દહાડો એ જ વિચાર કરીને, વિચાર કરી કરીને એને ધો ધો કર્યા કરજે. એમ આજ્ઞાપૂર્વક કરે ને, એટલે ઓછું થઈ જાય ! વિષય સંબંધી સામાયિક, પ્રતિક્રમણ...પ્રશ્નકર્તા : વિષય-વિકાર સંબંધીનું સામાયિક-પ્રતિક્રમણ કરવાનું કેવી રીતે ? દાદાશ્રી : અત્યાર સુધી ભૂલ થઈ ગઈ હોય તેના પ્રતિક્રમણ કરવાનાં, ભવિષ્યમાં ભૂલ નહીં થાય એવો નિશ્ચય કરવાનો. પ્રશ્નકર્તા : આપણે સામાયિકમાં તો જે કંઈ દોષ થયા હોય, તે ફરી ફરી દેખાતા હોય તો ? દાદાશ્રી : દેખાય ત્યાં સુધી એની ક્ષમા માંગવાની, ક્ષમાપના કરવાની, એના પર ‘એ’ પસ્તાવો કરવાનો, પ્રતિક્રમણ કરવાનું. (પા. ૧૬૩)પ્રશ્નકર્તા : આ હમણાં સામાયિકમાં બેઠા, આ દેખાયું છતાં ફરી ફરી કેમ આવે છે ? દાદાશ્રી : એ તો આવેને, મહીં પરમાણુ હોય તો આવે. તેનો આપણને શું વાંધો છે ? પ્રશ્નકર્તા : આ આવે છે એટલે એમ કે હજી ધોવાયો નથી. દાદાશ્રી : ના, એ તો માલ હજુ ઘણાં કાળ સુધી રહેશે. હજુય દસ-દસ વરસ સુધી રહેશે, પણ તમારે બધો કાઢવાનો. પ્રશ્નકર્તા : આ દ્રષ્ટિ જે જતી રહે છે, એનાં માટે શું કરવું ? એટલે આમ ખબર પડે કે આપણે અહીં ઉપયોગ ચૂક્યા, આપણને આ ‘સ્ત્રી’ છે એ ‘સ્ત્રી’ જ દેખાવી જ ના જોઈએ ને ? દાદાશ્રી : સ્ત્રી દેખાય, મહીં વિચાર આવે, તોય એ બધું પ્રતિક્રમણ કરવાનું. તારે ચંદ્રેશને કહેવાનું, પ્રતિક્રમણ કર ! એ કંઈ મોટી વસ્તુ નથી. વિષયોમાં સુખબુદ્ધિ કોને ?પ્રશ્નકર્તા : પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સુખબુદ્ધિ છે, ત્યાં સુધી નિકાલ થાય નહીં ને ? દાદાશ્રી : જે આત્મા મેં તમને આપ્યો છે, એમાં સુખબુદ્ધિ જરાય નથી. આ સુખ એણે કોઈ દહાડોય ચાખ્યું પણ નથી. એ જે સુખબુદ્ધિ છે, તે અહંકારને છે. સુખબુદ્ધિ થાય તેનો કંઈ વાંધો નથી. સુખબુદ્ધિ એ વસ્તુ આત્માની નથી, એ પુદ્ગલની વસ્તુ છે. જે કોઈ પણ વસ્તુ તમને આપે, તેમાં તમને સુખબુદ્ધિ ઉત્પન્ન થાય. ફરી એની એ વસ્તુ વધારે આપે, તેમાં દુઃખબુદ્ધિય ઉત્પન્ન થાય. એવું તમે જાણો કે ના જાણો ? પ્રશ્નકર્તા : હા, કંટાળો આવે પછી. દાદાશ્રી : માટે એ પુદ્ગલ છે, પૂરણ-ગલનવાળી વસ્તુ છે. એટલે (પા. ૧૬૪)એ કાયમની વસ્તુ નથી, ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. સુખબુદ્ધિ એટલે આ કેરી સારી હોય ને તેને ફરી માંગીએ, તેથી કંઈ તેમાં સુખબુદ્ધિ ગણાતી નથી. એ તો દેહનું આકર્ષણ છે. પ્રશ્નકર્તા : દેહનું ને જીભનું આકર્ષણ બહુ રહ્યા કરે. દાદાશ્રી : એ આકર્ષણ રહ્યા કરે છે, તેમાં ફક્ત જાગૃતિ રાખવાની છે. અમે તમને જે વાક્ય આપ્યું છે કે, ‘મન-વચન-કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગ જ છું.’ એ જાગૃતિ રહેવી જોઈએ અને ખરેખર એક્ઝેક્ટલી એમ જ છે. એ બધું પૂરણ-ગલન છે. તમે આ જાગૃતિ રાખો તો તમને બંધ પડતો નથી ! પ્રશ્નકર્તા : એ ના રહે તો, એ આપણા ચારિત્રનો દોષ છે એમ ગણીએ ? દાદાશ્રી : એ ક્રમિક માર્ગમાં હોય. પ્રશ્નકર્તા : પણ એ ચારિત્રમોહને લીધે ઢીલાશ રહે ? દાદાશ્રી : એ ક્રમિક માર્ગમાં ઢીલાશ કહેવાય. એના માટે તમારે ઉપાય કરવો પડે. આમાં (અક્રમમાં) તમારે ઢીલાશ ના કહેવાય. આમાં તમારે જાગૃતિ જ રાખવાની. અમે જે આત્મા આપેલો છે, એ જાગૃતિ જ છે. પ્રશ્નકર્તા : જાગૃતિ ના હોય એટલે રાગ થાય ને ? દાદાશ્રી : ના, એવું નથી ! હવે તમને રાગ થાય જ નહીં. આ થાય છે, તે આકર્ષણ છે. પ્રશ્નકર્તા : એ નબળાઈ ના ગણાય ? દાદાશ્રી : ના, નબળાઈ ના ગણાય. એને ને આત્માને કશી લેવાદેવા નથી. ફક્ત તમને પોતાનું સુખ આવવા ના દે. એટલે એક-બે અવતાર વધારે કરાવડાવે. તેનો ઉપાય પણ છે. અહીં આપણે આ બધા સામાયિક કરે છે, તે સામાયિકમાં એ વિષયને મૂકીને પોતે ધ્યાન કરે તો (પા. ૧૬૫)એ વિષય ઓગળતો જાય, ખલાસ થઈ જાય ! જે જે તમારે ઓગાળી નાખવું હોય તે અહીં ઓગાળી શકાય. પ્રશ્નકર્તા : એવું કંઈક હોય તો તે કામનું ને ? દાદાશ્રી : છે. અહીં બધું જ છે. અહીં તમને બધું જ દેખાડશે. તમને કોઈ જગ્યાએ જીભનો સ્વાદ નડતો હોય, તે જ સામાયિકમાં મૂકવાનો અને અહીં દેખાડે એ પ્રમાણે તેને ‘જોયા’ કરવાનું. ખાલી જોવાથી જ બધી ગાંઠો ઓગળી જાય. હે ગાંઠો ! અમે નહીં કે તમે નહીંવિચાર મનમાંથી આવે છે અને મન ગાંઠોનું બનેલું છે. જેના વિચારો વધારે આવે, તે ગાંઠ મોટી હોય ! વસ્તુસ્થિતિમાં વિષયની ગાંઠ જે છે, એ ટાંકણીને જેમ લોહચુંબક આકર્ષે એવું આમાં આકર્ષણ ઊભું થાય છે. પણ આપણને એટલો બધો આત્મા ખ્યાલમાં રહે તો ના અડે. પણ માણસને એવી જાગૃતિ બરાબર રહે નહીં ને ? પ્રશ્નકર્તા : આ જે બે પાંદડીએ ચૂંટવાનું વિજ્ઞાન છે, કે વિષયની ગાંઠ ફૂટે ત્યારે બે પાંદડે ઉખેડી નાખવું. તો જીતી જવાય ને ? દાદાશ્રી : હા, પણ વિષય એવી વસ્તુ છે કે જો એમાં એકાગ્રતા થાય તો આત્મા ભૂલે. એટલે આ ગાંઠ આમ નુકસાનકારક છે, તે એટલાં જ માટે કે એ ગાંઠ ફૂટે ત્યારે એકાગ્રતા થઈ જાય છે. એકાગ્રતા થાય એટલે વિષય કહેવાય. એકાગ્રતા થયા વગર વિષય કહેવાય જ નહીં ને ! એ ગાંઠ ફૂટે ત્યારે એટલી બધી જાગૃતિ રહેવી જોઈએ કે વિચાર ઊભો થતાંની સાથે ઉખેડીને ફેંકી દે, તો એને ત્યાં એકાગ્રતા ના થાય. જો એકાગ્રતા નથી તો ત્યાં વિષય જ નથી, તો એ ગાંઠ કહેવાય અને એ ગાંઠ ઓગળશે ત્યારે કામ થશે. પ્રશ્નકર્તા : એટલે એ ગાંઠ ઓગળી જાય તો પછી પેલો આકર્ષણનો વ્યવહાર જ નથી રહેતો ને ? દાદાશ્રી : એ વ્યવહાર જ બંધ થઈ જાય. ટાંકણી અને લોહચુંબકનો (પા. ૧૬૬)સંબંધ જ બંધ થઈ જાય. એ સંબંધ જ ના રહે. એ ગાંઠને લીધે આ વ્યવહાર ચાલુ છે ને ! હવે વિષય સ્થૂળ સ્વભાવી છે અને આત્મા સૂક્ષ્મ સ્વભાવી છે એવું ભાન રહેવું બહુ મુશ્કેલ છે, એટલે એકાગ્રતા થયા વગર રહે જ નહીં ને ! એ તો જ્ઞાની પુરુષનું કામ છે, બીજા કોઈનું કામ જ નથી ! બાકી આમાં હાથ ઘાલવો જ નહીં, નહીં તો એ ઊલટું દઝાશે. જ્ઞાની પુરુષ તો તમને ભય ટાળવા બોલે. આખું જગત જે સમજે છે, તેવો આત્મા નથી. આત્મા તો મહાવીર ભગવાને જાણ્યો છે તેવો છે, આ દાદા કહે છે તેવો આત્મા છે. આ ગાંઠો એ તો આવરણ છે ! એ ગાંઠો છે ત્યાં સુધી આત્માનો સ્વાદ ના આવવા દે. આ જ્ઞાન પછી હવે ગાંઠો ધીમે ધીમે ઓગળતી જવાની, કંઈ વધવાની નથી હવે. છતાં કઈ ગાંઠો હેરાન કરે છે, કઈ પજવે છે એટલી જ જોવાની હોય, બધી ગાંઠો જોવાની ના હોય. એ તો જેમ આ માર્કેટમાં શાકભાજી બધી પડી હોય, પણ એમાં કયા શાક ઉપર આપણી દ્રષ્ટિ જા જા કરે છે તેની જ ભાંજગડ, એ ગાંઠ મહીં મોટી છે ! તારે કઈ કઈ ગાંઠ મોટી છે ? પ્રશ્નકર્તા : વિષયની એક મોટી છે, પછી લોભની આવે, પછી માન-અપમાનની આવે છે. પછી કપટમાં તો, પોતાનો બચાવ-સ્વરક્ષણ કરવા માટે કપટ ઊભું થાય. દાદાશ્રી : બીજા કશા માટે કપટ નહીં ને ? પ્રશ્નકર્તા : અપમાનનો ભય હોય કે પોતાની ભૂલ હોય તો. દાદાશ્રી : હા, પણ એ સિવાય બીજી કોઈ વસ્તુ માટે કપટ નહીં ને ? આ બધી ગાંઠો કપટવાળી જ હોય, તે કપટ કરે તો જ એનું ફળ મળે ! બધી ગાંઠો કપટવાળી હોય. પ્રશ્નકર્તા : એ કેવી રીતે ? દાદાશ્રી : માનેય કપટ કરે તો મળે, અપમાનેય કપટ કરે તો મળે. વિષય પણ કપટ વગર ના મળે. (પા. ૧૬૭)વિકારી વિચાર આવે છે ખરાં ? પ્રશ્નકર્તા : એ ઊભું થાય, હજુ કોઈ વખત ! એ પરિણામો ઊભાં થાય, પણ જેથી કરીને પોતાની ચોંટ એમાં ના હોય કશી. પણ એ શું છે, હજી પરિણામ એવાં થઈ જાય છે તે ? દાદાશ્રી : કેમ માંસાહારના વિચાર નથી આવતા ? એ શાથી એવું ? પ્રશ્નકર્તા : એ ગાંઠ નથી. દાદાશ્રી : એ ગાંઠ નથી, એ માલ જ ભર્યો નથી ને ! પછી એ માલ શી રીતે નીકળે ? જે માલ ભરેલો છે, એ જ માલ નીકળે ! પ્રશ્નકર્તા : આટલું સોલ્યુશન કહ્યું એ વાત તો બરોબર છે, પણ એમાં કચાશ શી છે ? એમાં કચાશ વસ્તુ શું રહી જાય છે ? દાદાશ્રી : જે માલ ભરેલો છે એ નીકળે છે, એમાં કચાશ કયાં રહી ? કેમ મુસ્લિમ ડીશો યાદ નથી આવતી ? અને આ યાદ આવે છે, તે શું છે ? કારણ કે આ માલ ભરેલો છે. એટલે હવે આપણને ગાંઠો ફૂટે તેનો વાંધો નથી. ગાંઠને તો કહીએ, ‘જેટલી ફૂટવી હોય તેટલી ફૂટ, તું જ્ઞેય છે ને અમે જ્ઞાતા છીએ.’ એટલે ઉકેલ આવે. જેટલું ફૂટી ગયું એટલું ફરી નહીં આવે. હવે નવું જે ફૂટે છે, પણ તે ગાંઠ વધતી બંધ થઈ ગઈ. નહીં તો એ ગાંઠો તો આવડી સૂરણ જેવડી મોટી હોય. માનની ગાંઠો કેટલાકને તો તે કલાકમાં ચાર જગ્યાએ ફૂટે. આ જ્ઞાન મળ્યા પછી ગાંઠો બધી તૂટવા માંડે, નહીં તો ગાંઠ તૂટે નહીં. આ જ્ઞાન મળ્યું ના હોય ત્યાં સુધી ગાંઠો દહાડે દહાડે વધતી જ જાય ! આત્મા પ્રાપ્ત થયો એટલે નિર્વિષયી થયો, પછી આપણે એ ગાંઠોનો નિકાલ કર્યા કરવાનો. તમને અમે કેમ વઢતા નથી ? અમે જાણીએ છીએ કે ગાંઠો છે, એનો તો નિકાલ કરશે ને ! જે ગાંઠ છે તે ફૂટયા વગર રહેવાની છે ? જેની ગાંઠો નથી, તે ગાંઠો કંઈ ફૂટવાની નથી. અમને ગાંઠો ના હોય. અમને લગ્નમાં લઈ જાવ ને તોય અમે તે રૂપે હોઈએ, અહીં (પા. ૧૬૮)બોલાવો તોય તે રૂપે હોઈએ. કારણ કે અમે નિર્ગ્રંથ થયેલા. વિચાર આવે ને જાય. કોઈ વખત કશો વિચાર આવે ને ઊભો રહે ત્યારે એ ગાંઠ કહેવાય છે. એટલે આવું છે આ બધું ! છેવટે નિર્ગ્રંથ થવાનું છે અને આ ભવમાં નિર્ગ્રંથ થવાય એવું છે. આપણું આ જ્ઞાન નિર્ગ્રંથ બનાવે એવું છે. જે થોડી ગાંઠો રહી હશે તેનો આવતા ભવમાં નિકાલ થશે, પણ બધી ગ્રંથીઓનો ઉકેલ થાય એવો છે ! વિષય બીજ નિર્મૂળ શુદ્ધ ઉપયોગેવિષયના વિચારો જેને ના ગમતા હોય ને તેનાથી છૂટવું હોય તેણે આ સામાયિકથી, શુદ્ધ ઉપયોગથી ઓગાળી શકાય તેમ છે. આ ‘જ્ઞાન’ પછી જેને વહેલો ઉકેલ લાવવો હોય તેણે આવું કરવું. બધાને કંઈ આની જરૂર નથી. પ્રશ્નકર્તા : છતાં આને પહોંચી વળાય એવું લાગતું નથી. દાદાશ્રી : એવું કશું જ નથી. એક રાજીપો અને બીજું સિન્સિયારિટી, આ બે જ હોય તો બધું જ પ્રાપ્ત થાય એવું છે. બાકી આમાં મહેનત કરવાની કશી હોતી જ નથી. પ્રશ્નકર્તા : આ સવારની સામાયિક કરીએ છીએ, તો એમાં પચાસ મિનિટ પછી તો સુખનો ઊભરો આવે છે. દાદાશ્રી : આવે જ ને ! કારણ કે તમે આત્મસ્વરૂપ થઈને સામાયિક કરો એટલે આનંદ આવે જ ને ! આત્મા અચળ છે. હવે કેટલાક આ સામાયિક દહાડામાં બબ્બે-ત્રણ ત્રણ વખત કરે છે. કારણ કે સ્વાદ ચાખ્યોને ! આ વીતરાગી જ્ઞાન મળ્યા પછી એનો સ્વાદેય ઓર હોય, પછી કોણ છોડે ? પેલી બહારની બીજા લોકોની સામાયિકમાં તો બધું હાંકવાનું અને આ તો કોઈને હાંકવાનું કરવાનું નહીં અને જોયા જ કરવાનું, જ્ઞાતા-દ્રષ્ટા. તેય પાછું બે ફાયદા થવાના ! એક (પા. ૧૬૯)તો પોતાને સામાયિકનું ફળ મળે, એટલે શું ? કે આ બધું અચળ થાય ત્યારે આત્માનો સ્વભાવ માલૂમ પડે, એટલે સુખ ઉત્પન્ન થાય. આ ચંચળ ભાગ છે તે અચળ થાય એટલે આત્માનું સ્વાભાવિક સુખ ઉત્પન્ન થાય. આ ચંચળતાને લઈને એ સુખ પ્લસ-માઈનસ થઈ જાય છે. બીજું એક કે પોતાના દોષ હોય, તેને જ્ઞાતા-દ્રષ્ટા તરીકે જોયા કરીએ એટલે દોષ ઓગળ્યા કરે. એટલે બે લાભ થાય. સામાયિકમાં તો પોતાનો જે દોષ હોય, તેને જ મૂકી દેવાનો ! અહંકાર હોય તો અહંકાર મૂકી દેવાનો, વિષયરસ હોય તો વિષયરસને મૂકી દેવાનો, લોભ-લાલચ હોય તો તેને મૂકી દેવાનું, એ ગાંઠોને સામાયિકમાં મૂકી દીધી અને એ ગાંઠ ઉપર જ્ઞાતા-દ્રષ્ટા રહ્યો એટલે એ ઓગળે. બીજા કોઈ રસ્તે આ ગાંઠો ઓગળે એવી નથી. એટલું આ સામાયિક સહેલું, સરળ ને બહુ ઊંચામાં ઊંચી વસ્તુ છે ! અહીં એક ફેરો સામાયિક કરી જાય ને પછી ઘરેય થઈ શકે ! અહીં બધા જોડે બેસીને કરવાથી શું થાય કે બધાના પ્રભાવ પડે ને એકદમ પદ્ધતિસરનું સરસ થઈ જાય. પછી આપણે ઘેર કરીએ તો ચાલ્યા કરે. વિષયની ગાંઠ મોટી હોય છે, તેના નિકાલની બહુ જ જરૂર, તે કુદરતી રીતે આપણે અહીં આ સામાયિક ઊભું થઈ ગયું છે ! સામાયિક ગોઠવો, સામાયિકથી બધું ઓગળે ! કંઈક કરવું તો પડશે ને ? દાદા છે ત્યાં સુધીમાં બધો રોગ કાઢવો પડશે ને ? એકાદ ગાંઠ જ ભારે હોય, પણ જે રોગ છે તે તો કાઢવો જ પડશે ને ? એ રોગથી જ અનંત અવતાર ભટકયા છે ને ? આ સામાયિક તો શાને માટે છે કે વિષયભાવનું બીજ હજુ સુધી ગયું નથી અને એ બીજમાંથી જ ચાર્જ થાય છે, એ વિષયભાવનું બીજ જવા માટે આ સામાયિક છે. આપણે વિષયો જોઈતા ના હોય, પણ વિષયો છોડે નહીં ને ? આપણે ખાડામાં ના પડવું હોય છતાં પડી જવાયું તો શું કરવું જોઈએ ? તરત જ દાદા પાસે એક કલાક માગણી કરવી કે, ‘દાદા, મને બ્રહ્મચર્યની શક્તિ આપો.’ એટલે શક્તિ મળી જાય ને પ્રતિક્રમણ પણ થઈ જાય. પછી (પા. ૧૭૦)એની ‘વરીઝ’(ચિંતા) મગજમાં નહીં રાખી મૂકવાની. ખાડામાં પડ્યો કે તરત જ સામાયિક કરી ધોઈ નાખવાનું. સામાયિક એટલે હાથ-પગ ધોઈને, કપડાં ધોઈ સૂકવીને, ઘડી કરીને ચોખ્ખાં થઈ જવું. તરત સામાયિક ના થાય તો બે-ચાર કલાક પછી પણ કરી લેવું, પણ લક્ષમાં રાખવાનું કે સામાયિક કરવાનું રહ્યું છે. ભગવાને એમ નથી કહ્યું કે, ‘તું ખાડામાં ના પડીશ.’ ભગવાને તો એવું કહેલું કે, ‘ખાડામાં પડવા જેવું નથી, સીધા રોડ ઉપર ચાલવા જેવું છે.’ એવો અભિપ્રાય આપ્યો હતો. પછી કોઈ કહે કે, ‘તમે ના કહ્યું છે ને મારાથી પડી જવાયું તો શું કરવું ?’ ત્યારે ભગવાન કહે, ‘પડી જવાયું તેનો વાંધો નથી, પડી જવાય તે તું ધોઈ નાખજે અને અત્યારે ઈસ્ત્રીબંધ કપડાં પહેરી લે.’ એક કલાક સામાયિક કરી લીધું એટલે કશોય બાધ નહીં. કિંચિત્માત્ર બાધ હોય તો મારે માથે જોખમદારી, પછી આવડાં નાના ખાડામાં પડે કે આવડાં મોટા ખાડામાં પડે, પણ ડૂબાશે નહીં !!! જગત આખું વગર ખાડે ડૂબી રહ્યું છે, ઢાંકણીમાં ડૂબી જાય છે ! (પા. ૧૭૧)[8] સ્પર્શ સુખની ભ્રામક માન્યતાજોતાં જ જુગુપ્સાવિષયના ગંદવાડામાં લોકો પડ્યા છે. વિષય વખતે અજવાળું કરે તો પોતાને ગમતું નથી. અજવાળું થાય ને ભડકી જાય. તેથી અંધારું રાખે. અજવાળું થાય તો ભોગવવાની જગ્યા જોવાની ગમે નહીં. એટલે કૃપાળુદેવે ભોગવવાના સ્થાનને શું કહ્યું છે ? પ્રશ્નકર્તા : ‘વમન કરવાને પણ યોગ્ય ચીજ નથી.’ દાદાશ્રી : ઊલટી કરવી હોય, તો તે જગ્યાએ કરે કે બીજી સારી જગ્યાએ કરે ? પ્રશ્નકર્તા : કેટલું બધું જોયું હશે એમણે ? દાદાશ્રી : જોયેલું ને, જ્ઞાનીઓએ. એક તો આંખને ગમતું નથી. કાનને પણ ગમે નહીં. નાકને તો ગંધાય. જો એ જગ્યાને અડેલો હાથ સોડવામાં આવી જાય ને તો એ મરેલા માછલાં હોયને એવું ગંધાય. અને ચાખવાનું કહ્યું હોય તો ? એકુંય ઈન્દ્રિયને ગમે નહીં અને સ્પર્શને ગમે છે તે રાત્રે જ. દહાડે કરવાનું કહીએ ને ત્યાં આગળ, તો ના ગમે. મારી જોડે એક વાણિયો બેસવા આવતો હતો. તે ઘડીએ મારી ૬૦- ૬૨ વરસની ઉંમર હતી. એનીય ૬૦-૬૨ વરસની ઉંમર. એણે મારી જોડે શરત કરી હતી. એક અડધો કલાક બેસવા આવું તો તમે નભાવી લેશો ? મેં કહ્યું, ‘હા. નભાવી લઈશ.’ બહાર મારી જોડે ફરે તો લોકોમાં રોફ વધે. પછી મારી જોડે બેસે. આમ એની બુદ્ધિ સારી. મેં એ ભાઈને પૂછયું, ‘આ (પા. ૧૭૨)બધાં પુરુષો નેકેડ જતાં હોય તો તે તમને જોવા ગમે ?’ ત્યારે એ કહે, ‘ના ગમે. હું તો મોઢું ફેરવી લઉં.’ અલ્યા, પુરુષો નેકેડ જતા હોય તો તું નેકેડ નથી ? આ તો ઢાંકેલું તેથી રૂપાળું ! ત્યાર પછી એને પૂછયું, ‘સ્ત્રી અને પુરુષો જો નેકેડ જતાં હોય, તેમાં શું જોવાનું પસંદ કરો ?’ ત્યારે એ કહે, ‘પુરુષ જોવાય પણ સ્ત્રીને તો જોવાનું ના ગમે. ઊલટી થાય.’ આમ હું એ વાણિયાની બુદ્ધિ જોતો હતો. એ ભાઈ કહે છે, ‘મારી વાઈફ નહાતી હતી, ત્યારે એમને જોઈ ગયો. તે મને આ મહીં ચીતરી ચઢે છે.’ રોંગ બિલીફો, રૂટ કૉઝમાંપાંચ ઇન્દ્રિયોને ગમે નહીં એવું અંધારામાં જઈને કરવાનું. છોકરા દેખે તોય શરમાય. કોઈ વિષય-વિકાર કરતો હોય, એનો ફોટો લે તો કેવો દેખાય ? પ્રશ્નકર્તા : ચીતરી ચઢે એવો દેખાય, જાનવર જેવો દેખાય. દાદાશ્રી : જાનવર જ કહેવાય. બધી પાશવી ઈચ્છા કહેવાય. પ્રશ્નકર્તા : સ્ત્રીના અંગ તરફ આકર્ષણ થવાનું કારણ શું હોય ? દાદાશ્રી : માન્યતા આપણી, રોંગ બિલીફો તેથી. ગાયના અંગ તરફ કેમ આકર્ષણ નથી થતું ?! માન્યતાઓ ખાલી. કશું હોતું નથી. ખાલી બિલીફો છે. બિલીફો તોડી નાખો એટલે કશુંય નહીં. પ્રશ્નકર્તા : એ માન્યતા ઊભી થાય છે, તે સંયોગ ભેગો થવાથી થાય છે ? દાદાશ્રી : લોકોના કહેવાથી આપણને થાય. આપણા કહેવાથી માન્યતા થાય. અને આત્માની હાજરીથી માન્યતા થાય એટલે દ્રઢ થઈ જાય અને એમાં એવું શું છે ? માંસના લોચા છે ! પ્રશ્નકર્તા : એકવાર હું સ્તનનું ઓપરેશન જોવા ગયો હતો. પહેલા જોયાં તો એટલા સુંદર દેખાતા હતા પણ ઓપરેશન કરવા માટે ચીર્યું તો પછી કંપારી આવી ગઈ. (પા. ૧૭૩)દાદાશ્રી : સુંદરતા કશી હોતી જ નથી. માંસના લોચા જ છે. પ્રશ્નકર્તા : આ રોંગ બિલીફ કેવી રીતે ઉડાડવી ? દાદાશ્રી : આ મેં કેવી રીતે ઉડાડી હમણાં ! પ્રશ્નકર્તા : રાઈટ બિલીફથી. પેલી વાણિયાની વાત ફીટ થઈ માંસના લોચાવાળી. દાદાશ્રી : વાણિયાને કહે તો સ્ત્રીને નેકેડ જોવાની ગમે નહીં. એની બુદ્ધિ બહુ સરસ કહેવાય. મને તરત સમજણ પડી જાય કે આની દ્રષ્ટિ કેટલી ઊંચી છે. અને વાઈફના સંબંધમાં માંસના લોચા દેખાય ને કાયમ ચીતરી ચઢતી હતી એને !!! સાઠ વરસે એને ચીતરી ચઢતી હતી, તે સારું કહેવાય ને ?! નહીં તો ચીતરી ના ચઢે. એ બૂમો, મનની જ ?પ્રશ્નકર્તા : અંદરથી જે બૂમ પાડે કે ‘જોઈ લો. જોઈ લો.’ એ કોણ છે ? કોઈ સ્ત્રી બાથરૂમમાં નહાતી હોય કે કોઈ વિષય ભોગવતું હોય તો ? દાદાશ્રી : એ તો રોંગ બિલીફવાળું મન જ કહે. પછી પ્રાપ્ત થયેલું જ્ઞાન, તે વખતે આવીને રોકે કે આમ ના થવું જોઈએ. આ બધી રોંગ બિલીફો છે. જગતને ખબર જ નથી કે આ શું છે તે ! બિલીફો જ રોંગ છે. સો વખત રોંગ બિલીફને સાચી માની હોય તો સો વખત એને ભાંગવી પડે, આઠસો વખત કર્યું હોય તો આઠસો વખત ને દસ વખત કર્યું હોય તો દસ વખત. મિત્રાચારીમાં ફરીએ ને પેલા કહેશે ઓહોહો કેવાં છે, કેવાં છે ! તો આપણેય મહીં કહીએ કે કેવાં છે ! એમ કરતાં કરતાં સ્ત્રી ભોગવાઈ ગઈ. મનમાં વિચાર આવે, તે વિચાર એની મેળે જ આવ્યા કરે, તો એને આપણે પ્રતિક્રમણથી ધોઈ નાખવાનું. પછી વાણીમાં એવું બોલવું નહીં કે, વિષયો સેવવા એ બહુ સારા છે અને વર્તનમાં એવું રાખવું નહીં. સ્ત્રીઓની સામે દ્રષ્ટિ માંડવી નહીં. સ્ત્રીઓને જોવી નહીં, અડવું (પા. ૧૭૪)નહીં. સ્ત્રીઓને અડી ગયા હોઈએ તોય મનમાં પ્રતિક્રમણ થઈ જવું જોઈએ, કે ‘અરેરે, આને ક્યાં અડ્યો !’ કારણ કે સ્પર્શથી વિષયની બધી અસરો થાય છે. પ્રશ્નકર્તા : એ તિરસ્કાર કર્યો ના કહેવાય ? દાદાશ્રી : એ તિરસ્કાર ના કહેવાય. પ્રતિક્રમણમાં તો આપણે એના આત્માને કહીએ છીએ કે ‘અમારી ભૂલ થઈ ગઈ, ફરી આવી ભૂલ ના થાય એવી શક્તિ આપજો.’ એનાં જ આત્માને એવું કહેવાનું કે મને શક્તિઓ આપજો. જ્યાં આપણી ભૂલ થઈ હોય ત્યાં જ શક્તિ માગવાની એટલે એ શક્તિ મળ્યા કરે. પ્રશ્નકર્તા : કોઈ સ્ત્રી આપણી પાસે આવીને બેસે તો એમને આપણે કહી શકાય કે બેન, તમે અહીંથી ઊઠીને ત્યાં બેસો ? દાદાશ્રી : ના, એવું આપણે શા માટે કહેવાનું ? આપણી પાસે બેસે એટલે કંઈ આપણા ખોળામાં બેસે છે ? પ્રશ્નકર્તા : ના, ના, અહીં આપણી સાથે. દાદાશ્રી : સાથે બેસે તો આપણે શું ? આપણે આપણી દ્રષ્ટિ જુદી, કંઈ લેવાદેવા નહીં. એ તો ગાડીમાં બેસે જ છે ને ? ગાડીમાં શું કરીએ ? અહીં આપણે ખસેડીએ કે ત્યાં બેસો, પણ ગાડીમાં શું કરાય ? અરે, ભીડમાંય બેસવું પડે. આપણને થાક લાગ્યો હોય તો શું કરીએ ? પ્રશ્નકર્તા : તો સ્પર્શની અસર થાય ને ? દાદાશ્રી : તે ઘડીએ આપણે મન સંકુચિત કરી નાખવાનું. હું આ દેહથી છૂટો છું, હું ‘ચંદ્રેશ’ય ન હોય, એ ઉપયોગ રહેવો જોઈએ, શુદ્ધ ઉપયોગ રહેવો જોઈએ. કો’ક દહાડો એવું બને ત્યારે શુદ્ધ ઉપયોગમાં જ રહેવું, ‘હું ‘ચંદ્રેશ’ય ન હોય.’ સ્પર્શ સુખના જોખમોસ્પર્શસુખ માણવાનો વિચાર આવે તો તે આવતાંની પહેલાં જ (પા. ૧૭૫)ઉખેડીને ફેંકી દેવો. જો તરત ઉખેડીને ફેંકી ના દે તો પહેલી સેકંડે ઝાડ થઈ જાય, બીજી સેકંડે આપણને એ પકડમાં લે ને ત્રીજી સેકંડે પછી ફાંસીએ ચઢવાનો વારો આવે. હિસાબ ના હોય તો ટચેય ના થાય. સ્ત્રી-પુરુષ એક રૂમમાં હોય તોય, વિચારેય ના આવે. પ્રશ્નકર્તા : આપે કહ્યું કે હિસાબ છે, તેથી આકર્ષણ થાય છે. તો તે હિસાબ પહેલેથી કેવી રીતે ઉખેડી દેવાય ? દાદાશ્રી : એ તો તે ઘડીએ, ઓન ધી મોમેન્ટ કરે તો જ જાય. પહેલેથી ના થાય. મનમાં વિચાર આવે ને કે ‘સ્ત્રી માટે બાજુમાં જગ્યા રાખીએ.’ તે તરત જ એ વિચારને ઉખેડી દેવું. ‘હેતુ શું છે’ તે જોઈ લેવાનું. આપણા સિદ્ધાંતને અનુરૂપ છે કે સિદ્ધાંતની વિરુદ્ધ છે. સિદ્ધાંતની વિરુદ્ધ હોય તો તરત જ ઉખેડીને ફેંકી દેવું. એ સ્ત્રી બાજુમાં બેસતાં પહેલાં આપણે સગવડ રાખીએ છીએ, એ વિચાર આવે ત્યાંથી જ ઉખેડીને ફેંકી દેવું. પછી એ સ્ત્રી બેસતાં સુધી તો એ વિચારને આપણે ઝાડ જેટલું કરી નાખીએ છીએ. પછી એ ના પાછું ફરે. પ્રશ્નકર્તા : એવું નક્કી તો છે કે મારે વિષય ભોગવવો નથી, પણ કોઈ છોકરી કે કોઈ છોકરો મારા પર વિષય ભોગવે, મને સ્પર્શ કરે, બસમાં ઉતરતાં-ચઢતાં, બેસતાં, ગમે ત્યાં, તો પછી મને વાંધો નથી. મારે વિષય ભોગવવો નથી. આવા વિચારો આવે છે. દાદાશ્રી : તો તો સારું કહેવાય ને (!) પ્રશ્નકર્તા : તે વખતે મારી તો સેફસાઈડ છે ને, હું તો વિષય ભોગવતો જ નથી. મારે સ્પર્શ કરવો જ નથી. પણ એ સામેથી સ્પર્શ કરે, તો પછી હું શું કરું ? દાદાશ્રી : બરાબર. સાપ જાણી જોઈને અડે, તેને આપણે શું કરીએ ?(!) અડવાનું કેમ ગમે, પુરુષ કે સ્ત્રીને ? જ્યાં નરી ગંધ જ છે, ત્યાં અડવાનું કેમ ગમે ? (પા. ૧૭૬)સ્ત્રી સ્પર્શ લાગે વિષ સમપ્રશ્નકર્તા : પણ સ્પર્શ કરતી વખતે આ કશું આમાનું યાદ નથી આવતું. દાદાશ્રી : હા, એ યાદ શેનું આવે પણ ? તે ઘડીએ તો એ સ્પર્શ કરતી વખતે, એટલું બધું પોઈઝનસ હોય છે એ સ્પર્શ, એટલો બધો પોઈઝનસ હોય છે, તે મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધાં ઉપર આવરણ આવી જાય છે. માણસ બેભાન બની જાય છે. જાનવર જ જોઈ લો ને તે ઘડીએ ! પ્રશ્નકર્તા : એ વખતે એનો ફોર્સ એટલો બધો જોરદાર હોય છે, એને કારણે મૂર્છિત થઈ જાય છે. દાદાશ્રી : હં ! એવું છે ને કે આ દારૂ તો પીધા પછી ચડે છે અને આ તો હાથ અડાડવાથી જ ચડી જાય છે. દારૂ તો પીધા પછી અડધા કલાક પછી મહીં મનમાં ગુંગળાટ થયા કરે અને આ તો હાથ અડાડે કે તરત જ મહીં ચડી જાય છે. તરત, વાર નહીં. એટલે અમે તો નાનપણમાં જ, આ અનુભવ જોતાની સાથે જ ગભરામણ થઈ ગયેલી કે અરેરે, આ શું થઈ જાય છે ? આ તો મનુષ્યપણું મટી હેવાનપણું થઈ જાય છે. માણસ-માણસ મટીને હેવાન થઈ જાય છે. થોડીવાર પછી માણસપણું રહેતું હોય તો વાંધો નહીં. એટલું કંઈકેય આપણુ એ રહેતું હોય, મઝા-મર્યાદા, તો વાંધો નહીં, પણ આ તો મર્યાદા જ નહીં રહેતી અને અમે તો અનંત અવતારના બ્રહ્મચર્યના રાગી એટલે અમને આ ગમે નહીં. પણ ના છૂટકે બધું થયેલું. થોડો ઘણો સંસાર ભોગવ્યો હશે, તે પણ ના છૂટકાનો. અરુચિપૂર્વક, પ્રારબ્ધે લખેલ ! ના શોભે આ તો ! એટલે તમે મહાપુણ્યશાળી કહેવાઓ કે તમને દાદાની પાસે તમને બ્રહ્મચર્યવ્રત મળ્યું. અને દાદાનો ટેકો અને પાછું આ જ્ઞાન. તે આ જ્ઞાન ના હોય ને, બ્રહ્મચર્ય ટકે નહીં. આ જ્ઞાન, ‘હું શુદ્ધાત્મા છું’ એવું ભાન થયેલું છે એટલે બ્રહ્મચર્ય ટકે છે અને ખરું બ્રહ્મચર્ય ક્યારે ટકશે, રહેવાનું ત્યાં જુદું હશે ત્યારે. ત્યાં પછી એમનું આ થોડા વખતમાં રહેવાનું જુદું જ થઈ જવાનું અને તો જ ખરું બ્રહ્મચર્ય ને તો જ મોઢાં ઉપર તેજી આવશે. ત્યાં સુધી તો આ હવામાન-વાતાવરણ અસર કર્યા કરે. (પા. ૧૭૭)પ્રશ્નકર્તા : પેલી સ્પર્શની વાત કરી ને, તે વર્તે છે એવું, તો પછી કરવું શું ? એનો ઉપાય શું ? એટલે આ સ્પર્શમાં સુખ નથી એ બધી વાત પોતે જાણે પણ છતાંય વર્તનમાં જ્યારે સ્પર્શ થાય ત્યારે એમાં સુખ લાગે. દાદાશ્રી : એ લાગે પણ તે તો આપણે તરત કાઢી નાખીએ ને, આપણને શું ? એ સુખ લાગ્યું, એ તો આપણી બિલીફ છે તેથી, નહીં તો બીજાને તો આમ સ્પર્શ થતાંની સાથે ઝેર જેવું લાગે. કેટલાંક માણસ તો આ અડેય નહીં. સ્ત્રીને અડે નહીં, ઝેર જેવું લાગે. કારણ કે એ એણે એવો ભાવ કર્યો છે. પેલો સ્પર્શને સુખ માનતો હોય એવો માલ ભરેલો છે. એ બેના જુદા જુદા ભરેલાં છે, એટલે એને આ જન્મમાં આવું થાય છે. ઝેરેય ના લાગવું જોઈએ અને સુખેય ના લાગવું જોઈએ. અમે જેમ સહજ રીતે, આમ જેમ પુરુષોની માફક અમે અડીએ છીએ બીજાને, એવી રીતે રહેવું જોઈએ. એ વિષયમાં કંઈ સ્ત્રી દોષિત નથી. એ આપણો દોષ છે. સ્ત્રીનો દોષ નથી. પ્રશ્નકર્તા : ‘સ્ત્રીને સ્પર્શ કરવામાં સુખ છે’ એ જે બિલીફ છે, એ કેવી રીતે ઊડાડવાની ? દાદાશ્રી : એ બિલીફ તો આ દસ જણ બોલ્યા, એટલે બિલીફ બેસી ગઈ. ત્યાં ત્યાગીઓ બોલ્યા હોત ને તો બિલીફ બેઠેલી હોત તોય ઊઠી જાત. કારણ કે બિલીફ બેઠેલી છે. સાચી જગ્યાએ બેઠી છે કે ખોટી જગ્યાએ ? જલેબી તો સ્વાદિષ્ટ લાગે, એમાં તો તાજી જલેબી હોય, સ્વાદિષ્ટ લાગે કે ના લાગે ? ઘીની હોય તો ! પ્રશ્નકર્તા : લાગે. દાદાશ્રી : જ્ઞાની પુરુષ પાસે સમજી લેવું જોઈએ. આ લોકોની પાસે સમજ્યા તેમાં ! કવિઓ તો બધાં આમ વખાણ કરે. પગ તો કેળ જેવા, પગ ને ફલાણું આવું બોલે. પણ એમ નહીં વિચાર કરતો કે મૂંઆ સંડાસ જાય તે ઘડીએ કેમ આમ નથી જોડે બેસતો. આ તો બધાં સહુ સહુનું ગાય. જ્ઞાની પુરુષ દેખાડેને ત્યારે અરુચિ થાય મહીં. પ્રશ્નકર્તા : આ બધી વાત આપની બરાબર. આ શ્રદ્ધામાં પણ બેઠેલું છે પણ છતાંય વર્તનમાં પેલો સ્પર્શ કરવાનું થઈ જાય છે. (પા. ૧૭૮)દાદાશ્રી : વર્તનમાં તો આ માન્યતા છેને રોંગ, માન્યતા એનું ફળ આપ્યા વગર જાય નહીં ને ! એ ડિસ્ચાર્જ માન્યતા છે. એક ફેરો માનેલી વસ્તુઓ સાવ વિરુદ્ધ, ખરાબ હોય તો પણ માન્યતા જાય નહીં ને ! એટલે આપણે કાઢવી પડે કે આમ નહીં પણ આ ખોટું છે. પ્રશ્નકર્તા : એટલે એમ કહી શકાય કે હજુ રુચિ છે. દાદાશ્રી : ના એવું નહીં. આ રોંગ બિલીફો હજુ રહી ગઈ છે મહીં. એટલે નિકાલ કરી નાખવાનો આમ. પેલું ‘આમાં સુખ છે’ એવી રોંગ બિલીફ જે બેસી ગઈ છે લોકોના કહેવાથી, તે આમાં રહી ગઈ છે, તે આમાં એનું કંઈ આ જેમ જેમ આવશે એમ નિકાલ કરી નાખીશું. પ્રશ્નકર્તા : એ બિલીફનો નિકાલ કેવી રીતે કરવો ? દાદાશ્રી : ‘ન્હોય મારી’ એમ કહીને જ, એ આપણું ન્હોય. એ બિલીફનો નિકાલ જ થઈ જાય એમાં. બન્ને સ્પર્શની અસરોમાં ભિન્નતાપ્રશ્નકર્તા : સ્ત્રીને જ્યારે સ્પર્શ થાય છે, ત્યારે એના પરમાણુઓ એકદમ અસર કરે છે. ત્યારે જ્ઞાની પુરુષને પણ સ્પર્શ કરીએ છીએ, તો જ્ઞાની પુરુષના જે પરમાણુઓ છે એ અસર તો કરે જ છે, પણ એટલા ફોર્સવાળા જણાતા નથી, એનું શું કારણ ? દાદાશ્રી : એ તો પરમાણુ અસર તો, એને લીધે ને ? જેવાં પરમાણુ હોય એવી અસર થાય. ચિંતાતુર હોય તો એને જો અડીએ, તો ચિંતાતુર કરી નાખે, એવાં પરમાણુ ઊભાં થઈ જાય. જેવાં પરમાણુ હોય એવી અસર થાય. પ્રશ્નકર્તા : પણ પેલામાં અમને અનુભવ થાય છે. આમાં એટલું સ્પષ્ટ જણાતું નથી, એનું શું કારણ ? દાદાશ્રી : હા, એ તો દરેક એના પરિણામો છે. પરમાણુની અસર થયા વગર રહે જ નહીં. દેવતાને અડે તો દેવતા અને આ બરફને અડે તો બરફ, એનામાં જે પરમાણુ છે, એની અસર તરત જ થાય. એને અડતી (પા. ૧૭૯)વખતે ઉપયોગ ન હોય તો વાત જુદી છે, બધાં પોતપોતાના પરમાણુનો સ્વભાવ બતાવ્યા વગર રહે નહીં. પ્રશ્નકર્તા : પેલામાં તરત ખબર પડી જાય છે, આખું બધું આમ આખું અંતઃકરણ ડહોળાઈ જાય છે. દાદાશ્રી : એ તો ડહોળાઈ જાય બધુંય ! પ્રશ્નકર્તા : જ્યારે આમાં તરત ખબર નહીં પડતી, એનું શું કારણ ? દાદાશ્રી : એ શી રીતે ખબર પડે, એ હાઈ લેવલ પરમાણુ શી રીતે ખબર પડે જલ્દી. ડહોળાઈ ગયેલાં હોય તો તરત ખબર પડી જાય. પ્રશ્નકર્તા : પેલી જે નેગેટીવ અસર થાય છે પરમાણુની, એ ખબર પડે છે. દાદાશ્રી : જુલાબની દવા જેમ લઈએ એના જેવી. પ્રશ્નકર્તા : આમાં એવું નહીં ? દાદાશ્રી : આમાં ના હોય. આ તો બહુ ધીમી અસર કરે, ધીમી અસર કરે, ઊંચા માર્ગે લઈ જવાનું ને ! પેલું તો એને પાડી દેવાનું નીચે, સ્પીડી અસર, સ્લીપીંગ કહેવાય. સ્લોપ, લપસતું અને આ ઊંચે જવું, ઊંચે જતું તો બહુ જોર કરે ત્યારે એક ઇંચ ખસે અને પેલું તો લપસી પડવાનું તો છે જ માલ, બનતા સુધી અડવું નહીં, ઉપયોગ હોય, ગમે એટલો ઉપયોગ મજબૂત હોય તોય આપણે અડવું નહીં. પ્રશ્નકર્તા : આ તો સ્પર્શ થઈ જાય એની વાત છે. અડવાનો તો કિચિંત્માત્ર ભાવ ના હોય પણ સ્પર્શ થઈ જાય. દાદાશ્રી : સ્પર્શ થઈ જાય તો પછી આપણે પ્રતિક્રમણ કરવું તરત. પ્રશ્નકર્તા : જ્યારે જ્ઞાનીપુરુષને સ્પર્શ કરવાથી ? દાદાશ્રી : એ તો બહુ એ ક્યાં હાઈ લેવલનું અને અસર થતાં થતાં તો કેટલો કાળ જાય. (પા. ૧૮૦)પ્રશ્નકર્તા : અથવા મારામાં પણ ભૂલ હોઈ શકે ને કે આ પરમાણુઓ તો એકદમ આવી રહ્યા છે. અમને લાભ કરે છે, એ સો એ સો ટકા વાત નક્કી છે. દાદાશ્રી : એ લાભ જ કરે પણ તે ખબર ના પડે ! પ્રશ્નકર્તા : મને એ પ્રશ્ન છે કે એ ખબર કેમ નથી પડતી ? દાદાશ્રી : એ એવી જાડી અસર નથી કે તમને ખબર પડી જાય, શું કહ્યું ? એ બહુ સૂક્ષ્મ અસરો છે અને આ તો જાડી અસર, તમને ખબર પડી જાય એવી. આ બરફની ને એ તો નાના છોકરાંનેય ખબર પડી જાય. એવું આ તમને બીજી અસર પડી જાય. આ અસર ખબર ના પડે. પણ સરવાળે એકંદરે મહીં આમ નિરાકુળતા કર્યા કરે. પ્રશ્નકર્તા : આ જેવું સ્પર્શનું છે એમ દ્રષ્ટિ જ્યારે મળે છે ત્યારે પણ એવું થાય છે. દાદાશ્રી : દ્રષ્ટિ મળે તોય એવી અસર થાય. એવું છે ને એક જ ટેબલ ઉપર સ્ત્રી-પુરુષ બધાં ખાય છે ખરાં. એક જાતનો ખોરાક ખાય છે, પણ સ્ત્રીનામાં સ્ત્રી પરમાણુ રૂપે તરત બદલાઈ જ જાય છે. પુરુષનામાં પુરુષના હિસાબે પરમાણુ તરત બદલાઈ જાય. બીજના સ્વભાવ પ્રમાણે થાય. પ્રશ્નકર્તા : પણ એ સાથે જમવા બેસે છે, ખોરાક સરખો લે છે, તો એ પરમાણુઓ જુદા અંદર ફેરફાર થવાનું શું કારણ ? દાદાશ્રી : ફેરફાર થઈ જાય તરત, બીજ પ્રમાણે. જેવું મહીં બીજ હોય ને એ પ્રમાણે. આ ખોરાક તો એક જાતનો પણ બીજ પ્રમાણે ફેરફાર પડે. આ પાણી પીએ પણ ભીંડાનું બીજ હોય તો ભીંડો જ ઉત્પન્ન થાય અને તુવેરનું બીજ હોય તો તુવેર ઉત્પન્ન થાય, પાણી તેનું તે જ, જમીન તેની તે જ. એટલે આ પુરુષને માસિક ધર્મ તો આવ્યો નથી, નહીં તો આવ્યો હોય ત્યારે ખબર પડે આ શું છે એ ? માસિક ધર્મ તો કેટલી બધી મુશ્કેલીવાળો એ છે ! અને કેટલું બધું એમાંથી અશુચિ નીકળે છે. એ અશુચિ સાંભળે તોય માણસ ગાંડો થઈ જાય. પણ સ્ત્રી કહે નહીં કોઈ (પા. ૧૮૧)દહાડોય, શું અશુચિ નીકળે છે ? એટલે ધણી બિચારો જાણે કશું જ નથી. મોહ-કપટનાં પરમાણુ જુદા અંદર. સ્ત્રીના હિસાબે થઈ જાય. ઉત્પન્ન તે પરિણામ પામે. એ દૂધપાક હોય કે જલેબી હોય, એ સ્ત્રીના બીજ પ્રમાણે એ પરિણામ પામે. પુરુષ બીજ હોય તો પુરુષના બીજ પ્રમાણે પરિણામ પામે. એની હદ હોય. અમુક હદ સુધી પુરુષના બીજનો મોહ હોય, એની હદની બહાર ના હોય. પ્રશ્નકર્તા : આ જે પરમાણુઓ છે એનું સાયન્સ શું છે ખરેખર ? દાદાશ્રી : સાયન્સ એટલે આ પરમાણુ હોય તો નેગેટીવ પરમાણુ દુઃખદાયી હોય અને પોઝીટીવ હોય તો સુખદાયી હોય. નેગેટીવ સેન્સના બધા પરમાણુ દુઃખદાયી હોય, એને અશુદ્ધ કહેવાય અને પોઝીટીવ શુદ્ધ કહેવાય. સુખ જ આપે, પોઝીટીવ. આકર્ષણ એ છે મોહપ્રશ્નકર્તા : કોઈ સ્ત્રી બાજુમાં બેઠી હોય અને આમ વધારે પડતું કંઈ થાય. તો ડર લાગે, તમે કંઈ ખોટું કરો છો, એવું રીતસરનું અંદરથી લાગે. પણ તે છતાં હજુ ખેંચાઈ જાય છે. દાદાશ્રી : એ તો કર્મના ઉદય તમને ખેંચે છે ને ! તે તમારે હજુ જોવું પડે કે કર્મના ઉદય અહીં ખેંચે છે. બધા ઉપર ના ખેંચે. ચાર બેઠેલી હોય, એકની ઉપર ખેંચાય ને બીજી બધી પર ના ખેંચાય. એટલે હિસાબ છે, પહેલાંનો પાછલો. પ્રશ્નકર્તા : ઓફીસમાં કામ કરતાં હોઈએ ને તો પેલી વ્યક્તિ જાય, ત્યારે જ આપણી નજર ઊંચી થાય. દાદાશ્રી : હા, એટલે ત્યાં હિસાબ છે. માટે ત્યાં આગળ પ્રતિક્રમણ કર કર કર્યા કરવું. એટલે અતિક્રમણથી ત્યાં આગળ વીંટાયું છે ને પ્રતિક્રમણથી તોડી નાખો. અતિક્રમણ એટલે પહેલાં દ્રષ્ટિઓ કરી છે, તેનાં પ્રતિક્રમણ કરીએ તો ઊડી જાય. (પા. ૧૮૨)કોઈ પણ ચીજ પર આકર્ષણ છે જ્યાં સુધી દ્રષ્ટિમાં, ત્યાં સુધી એને મોહ છે. પેલો મોહ ગયો. દર્શનમોહ ગયો, ચારિત્રમોહ રહ્યો. એ તો કંઈક એ જોવાથી જ જો ફેરફાર થઈ જતો હોય તો ભીંતને જોઈને કેમ નથી થતો ? વચ્ચે કોઈ જાનવર છે કે જે આમ ફેરફાર કરાવડાવે છે. કયું જાનવર ? મોહ નામનું ! પ્રશ્નકર્તા : એ તો જેટલી પોતાની જાગૃતિ હોય ત્યારે ખ્યાલ આવે કે અંદર કંઈક ફેરફાર થયો છે, નહીં તો કેટલું બધું થઈ જાય ત્યાં સુધી ખ્યાલ પણ ના આવે કે આ ફેરફાર થયો છે. ખબર જ ના પડે. દાદાશ્રી : ભાન જ નથી, એને ખ્યાલનું ક્યાં રહ્યું ? આ શું થઈ રહ્યું છે ? તેય ભાન નહીં. આકર્ષણ-મોહ ના હોવો જોઈએ. પછી બીજા ગુનાઓને માફ કરીએ, ઓવર ફલો થયું હોય કે એવું તેવું બધું થયું હોય, તેને માફ કરીએ અમે. અમારે એવું કશું નથી કે તમને ગુનેગાર જ બનાવવા છે. અમે સમજીએ કે ઘરમાં રહીને આ પ્રમાણે રહેવું, એ મુશ્કેલ છે. પ્રશ્નકર્તા : પણ રહી શકાય એવું છે. દાદાશ્રી : રહી શકાય એવું છે. પણ એમનું જુદું ટોળું હોય, એની વાત જ જુદી છે! પ્રશ્નકર્તા : આ વાતાવરણમાં છીએ ત્યાં સુધી ચોક્કસ રાખવું એટલે ટેસ્ટ તો થાયને ? દાદાશ્રી : ટેસ્ટ ખરેખરો થાય ! પણ આપણું જ્ઞાન એવું છે ! આમ જરાક આકર્ષણ થાય તે આમ બીજ પડ્યું કે ઉખેડીને ફેંકી દે હડહડાટ ! પછી પ્રતિક્રમણ કરી નાખે તરત. એવું આપણું વિજ્ઞાન સરસ છે. આકર્ષણ ત્યાં જોખમ જાણસ્ત્રી અગર વિષયમાં રમણતા કરીએ, ધ્યાન કરીએ, નિદિધ્યાસન કરીએ તો એ ગાંઠ પડી જાય વિષયની. પછી શેનાથી ઓગળે એ ? ત્યારે (પા. ૧૮૩)કહે, વિષયના વિરુદ્ધ વિચારોથી ઓગળી જાય. માણસ એક ફક્ત આટલું જ સાચવે તોય કોઈ પણ વિષય-આકર્ષણ થાય ત્યાં આગળ છે તે તરત જ પ્રતિક્રમણ કરી નાખે. તો એનું આગળ ખાતું ચોક્કસ રહે. સહેજ બે મિનિટ વાર લગાડે તો પછી ઉગી નીકળે. એટલે આ તો પ્રતિક્રમણથી બંધ થાય, નહીં તો આ બંધ જ ના થાયને ! પછી પતન થાય તો જોખમદારી રહેતી નથી. પણ જ્યાં આગળ ભાન જ ના હોય, ત્યાં આગળ પછી આકર્ષણ થયું તો પછી ત્યાં એમ ને એમ બધું પડી રહે પાછું. એટલે જોતાંની સાથે આકર્ષણ થાય, એની સાથે એનું આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન અને અવળા વિચારોને કાપે તો તરે, નહીં તો કોઈ તરે જ નહીં આમાંથી. એટલે બહુ ઊંડો ખાડો છે આ તો. એ શાથી આકર્ષણ થાય કે પૂર્વે અજ્ઞાનતાથી, આ આપણને સમજણ નહીં, તેથી એની જોડે છે તે એ રમણતા કરેલી છે, એટલે ફરી આકર્ષણ ઊભું થાય. એટલે આપણે સમજી જવાનું કે હવે આને કંઈ હિસાબ છે આ. પ્રશ્નકર્તા : એ ખબર પડે ખરી પણ છતાં એ ફરી ફરી વિચાર આવ્યા કરે. દાદાશ્રી : હા. પણ વિચાર આવે એટલે ફરી એને, એ વિચારો આવે, એ બધા ભાંગવા પડે, જેમ જેમ આવતા જાય એમ ભાંગતા જાય, આવતા જાય એમ ભાંગતા જાય. પ્રત્યેક જોઈને પ્રતિક્રમણ કરવું પડે. પ્રશ્નકર્તા : એ સમજાય ખરું કે કેટલી મોટી ભૂલ કરી હતી ! દાદાશ્રી : પણ ભૂલ તો કરેલી ત્યારે જ મહીં આવ્યું ને ! એક વિચાર પણ આવે, એને શી રીતે ભાંગવું, તે આવડવું જોઈએ ને ! એને આખો દહાડો પૂરો છે તે એમાં કાઢવો પડે, બબ્બે કલાક. ત્યારે છેદાય. નહીં તો ના છેદાય. એ બાંધતા કંઈ વિચાર જ નહીં કર્યા ને ! આખી રાત ઊંધો સૂઈ જઈ ને પછી આખી રાત વિચાર કર્યા કરે. પ્રશ્નકર્તા : આ ઊંધા પડીને વિચાર કરીએ, એટલે સમજાયું નહીં કહે છે. (પા. ૧૮૪)દાદાશ્રી : એને કંઈક એટ્રેક્ટિવ લાગ્યું, એટલે પછી ત્યાં છે તે ઊંધો પડીને વિચાર જ કર્યા કરે. એ પછી રમણતા કર્યા કરે. હવે પેલી તો જતી રહી. તો હવે શું કરવા રમણતા કરે છે ? ત્યારે કહે, ઊંધો પડીને મૂઓ રમણતા કરે, મહીં એ ટેસ્ટ આવેને એક જાતનો. હવે જો રમણતા બ્રહ્મચર્ય થાય પણ તેથી પછી કાર્ય બ્રહ્મચર્ય થાય. પતન ક્યારે થાય ? રમણતા અબ્રહ્મચર્ય થાય ત્યારથી થાય. તારે આવી રીતે કંઈ ડખો નહીં ને, થ્રી વિઝન રહે ને ? પ્રશ્નકર્તા : તોય કોઈ વાર કાચું પડી જાય. દાદાશ્રી : એમ ! તે ઘડીએ ડાબા હાથથી જમણા ગાલને ધોલ મારી દઉં ?! ત્યારે શું કરું ? ‘શું સમજે છે ?’ કરીને એક આપી દેવી. વિષય રમણતા કરી હોય તેને પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવું, પછી દાંત-બાંત તોડી નાખીએ તો શું દેખાય, એવું તેવું બધું જોવું જોઈએ. થ્રી વિઝન તો કહેવાય ને. પ્રશ્નકર્તા : પણ થ્રી વિઝન જોવા છતાંય એ પાછું ને પાછું યાદ આવે છે. દાદાશ્રી : એ યાદ એ તો મનનું કામ છે, તારે શું જાય છે ? તારે ‘જોયા’ જ કરવાનું. પ્રશ્નકર્તા : તો એના પરથી એમ જણાય છે કે હજી એ તૂટ્યું નથી. દાદાશ્રી : તૂટે શી રીતે પણ ? એ તો એનું બધું કસ નીકળી જશે ત્યારે છૂટું થશે. જેટલો કસ ભરેલો છે, ત્યાં સુધી આપણે જોયા જ કરવાનું. પ્રશ્નકર્તા : લાંબા વિચારો આવે, એમાં તન્મયાકાર થઈ જવાય. દાદાશ્રી : વિચાર તો આવે, એ તો જ્યાં સુધી લાંબું છે એટલે વિચાર આવ્યા જ કરે. એનો હિસાબ પૂરો થાય એટલે મન બંધ થઈ જાય, એ પછી બીજું પકડે. પ્રશ્નકર્તા : પણ એ હિસાબ ક્યારે પતે ? (પા. ૧૮૫)દાદાશ્રી : હજી તો બધું બહુ પાર વગરનું. હજી તો કંઈ હિસાબેય નથી. હજુ તો આ પાશેરીની પહેલી પૂણી ખસી છે. પણ આ અહીંથી ઝટ કાપી નાખે તેને કશુંય નથી બહુ. દેખાયું ત્યાંથી પ્રતિક્રમણ કરે અને પછી પેલી રમણતામાં ના પડે, રાતે કશેય. જરાય એનો વિચાર આવ્યો કે રમણતામાં પડવાનું નીચે, સ્લિપ થયું કહેવાય. એ તો રમણતાથી જ આ બધા દોષ ઊભાં થયા છે ને ! એટલે એમાં ઊંધા થઈને પછી ભોગવી લે, એ હું જોઉં છું ને ! દ્રષ્ટિ બદલાય પછી રમણતા ચાલુ થાય. દ્રષ્ટિ બદલાય તો એનું કારણ છે, એની પાછળ ગયા અવતારના કોઝિઝ છે. તેથી કરીને બધાનું જોઈને દ્રષ્ટિ બદલાતી નથી. અમુકને જુએ ત્યારે દ્રષ્ટિ બદલાય છે. કૉઝીઝ હોય, એનો આગળનો હિસાબ ચાલુ આવતો હોય તે અને પછી રમણતા થાય તો જાણવું કે વધારે મોટો હિસાબ છે એટલે ત્યાં વધારે જાગૃતિ રાખવી. એની જોડે પ્રતિક્રમણના તીર માર માર કરવા. આલોચના-પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન જબરજસ્ત હોય. નિયમ આકર્ષણ-વિકર્ષણ તણાસ્પર્શ થાય કે એવું તેવું થાય તો મને આવીને કહેવું ને હું તરત ચોખ્ખું કરી આપું. પ્રશ્નકર્તા : ના, એ કોઈ દહાડો ક્યાંય નહીં. દાદાશ્રી : પણ થઈ જાય ભૂલેચૂકે એવું, તો મને આવીને તરત કહેવું. કારણ કે એક જ ટચ થવાથી અંદર ઈલેક્ટ્રિસીટીનું એટ્રેકશન જે થાય છે, તે પછી અમારે કાઢવી પડે ઈલેક્ટ્રિસીટી. પ્રશ્નકર્તા : હું કેટલાં વર્ષોથી માર્ક કરું છું કે હું બેઠો હોઉં તો મારી નજીકમાં કોઈ સ્ત્રી આવે જ નહીં. મારાથી આમ આઘુ રહે ! દાદાશ્રી : બહુ સારું. એટલું સારું છે. મોટી પુણ્યૈ લાવ્યા છો. પ્રશ્નકર્તા : હું કોઈ પણ સ્ત્રી જોડે વાત કરું, ઓળખીતું હોય કે ગમે તે હોય, પણ એની સામે આમ નજર મિલાવીને ક્યારેય નથી વાત કરતો. (પા. ૧૮૬)દાદાશ્રી : બરોબર છે. એ બહુ સારું છે. આ તો હું તમને ચેતવી રહ્યો કે વખતે આમ આમ ભૂલેચૂકે હાથ અડી ગયો હોયને, તો મને કહેવું, સ્ત્રી જાતિ જાણી-જોઈને ઘસાય છે, ઘણી વખત તો. પ્રશ્નકર્તા : એ ઈલેક્ટ્રિસીટી કેવી હોય ? એ તમે કહ્યું ને કે ઈલેક્ટ્રિસીટી મારે ધોવી પડે એવી હોય. દાદાશ્રી : એના પરમાણુની અસર થઈ જાય એમ. એટ્રેકશનના વધતા જાય પરમાણુ અને આંખે દેખ્યાના પરમાણુ સૂક્ષ્મ હોય અને સૂક્ષ્મમાંથી સ્થૂળ ઊભું થાય અને પછી એમાંથી ખેંચાણ થાય. આકર્ષણ વધતું જ જાય. આકર્ષણ વધતું, તે પછી એનું વિકર્ષણ થાય. વિકર્ષણ થવાનું થાય એટલે પહેલા કાર્ય થાય. પછી વિકર્ષણ થયા કરે. કાર્ય શરૂ થયું ત્યારથી વિકર્ષણ શરૂ થાય. કાર્યની શરૂઆત સુધી આકર્ષણ થયા કરે અને કાર્ય પુરું થાય એટલે વિકર્ષણ થયા કરે. આવું પરમાણુનું એટ્રેકશન છે. હવે વાંધો ના આવે. દાદા માથે છે. દાદા મારા માથે છે. એવું માથે બોલે તોય રાગે પડી જાય. પ્રશ્નકર્તા : આ પરમાણુનું નવું વિજ્ઞાન કહ્યું. દાદાશ્રી : એ તો બધું કહેવા જેવું નહીં. બહાર કહેવા જેવું નહીં. આ તો ખાનગી લોકોને જરૂરિયાત હોય એટલી જ વાત કરવાની અને બહાર કહીને એનો શું અર્થ છે ? લોકો, જગત અડ્યા વગર રહેવાનું નથી. પ્રશ્નકર્તા : તો એ સ્પર્શથી પરમાણુઓ ક્યાં સુધી એને નીચે ઘસડી જાય છે ? દાદાશ્રી : હા એટલે પરમાણુનું એટ્રેક્શન બધું કામ કરે છે. એ તો બિચારાને હાથમાં જ નથી રહેતીને સત્તા અને વિકર્ષણ થાય તે છૂટવું ના હોય તોય એ પરમાણુ જ પોતે વિકર્ષણ કરાવડાવે, છૂટાં પાડે. પ્રશ્નકર્તા : વિકર્ષણ થાય એટલે પરમાણુ જ પોતે છૂટા કરાવડાવે. દાદાશ્રી : હા, પોતે જ વિકર્ષણ કરાવડાવે છે, એને અમલ આપીને. (પા. ૧૮૭)પ્રશ્નકર્તા : એટલે કઈ રીતના ? દાદાશ્રી : એનો અમલ ફળ આપી અને પોતે જ વિકર્ષણ સ્વરૂપ થઈ પડે છે. પ્રશ્નકર્તા : એટલે એનો નિયમ જ છે કે આ આકર્ષણ થાય એટલે પછી એનું આ વિકર્ષણ પરિણામ આવે જ. દાદાશ્રી : આકર્ષણ-વિકર્ષણ એ નિયમ જ છે, આકર્ષણ ક્યાં સુધી કહેવાય ? વિકર્ષણ ભેગું ના થાય ત્યાં સુધી ફળ ના આપે. વિકર્ષણનો સંજોગ ભેગો થાય એટલે ફળ આપવાનું શરૂ કરે. પ્રશ્નકર્તા : આકર્ષણ ફળ આપવાનું શરૂ કરે, પછી શું ? દાદાશ્રી : પછી ખલાસ થઈ ગયું ! માણસ મરી ગયો. તમારે કોઈ વાંધો નહીં. એકવાર ભોગવ્યો કે ગયોઆ વિષય એ એવી વસ્તુ છે કે મનને અને ચિત્તને જે રીતે જતું હોય, તે રીતે નથી રહેવા દેતું ને એક ફેરો આમાં પડે કે આની મહીં આનંદ માનીને ઊલટું ચિત્તનું ત્યાં જ જવાનું વધી જાય છે અને ‘બહુ સરસ છે, બહુ મઝાનું છે’ એમ માનીને નર્યા પાર વગરનાં બધાં બીજ પડે છે. પ્રશ્નકર્તા : કેટલાંકને તો એમાં રુચિ જ નથી હોતી, રુચિ ઉત્પન્નેય નથી થતી અને કેટલાંકને એ રુચિ વધારે પડતી પણ હોય છે. એ પૂર્વનું જ લઈને આવેલો છે ને ? દાદાશ્રી : એ વિષય એકલો જ એવો છે કે એમાં બહુ લોચા વળી જાય છે. એક ફેરો વિષય ભોગવ્યો કે પછી એનું ચિત્ત ત્યાંનું ત્યાં જ જવાનું. પ્રશ્નકર્તા : પણ એ પૂર્વનું લઈને આવેલો હોયને એવું ? દાદાશ્રી : એનું ચિત્ત ત્યાંનું ત્યાં જતું રહે, એ પૂર્વનું લઈને નથી આવ્યો. પણ પછી ચિત્ત એનું છટકી જ જાય છે, હાથમાંથી ! પોતે ના (પા. ૧૮૮)કહે તોય છટકી જાય. એટલા માટે આ છોકરાઓ બ્રહ્મચર્યના ભાવમાં રહે તો સારું અને પછી એમ ને એમ જે સ્ખલન થાય, તે તો ગલન કહેવાય. રાતે થઈ ગયું, દહાડે થઈ ગયું, એ બધું ગલન કહેવાય. પણ આ છોકરાંઓને જો એક જ ફેરો વિષય અડ્યો હોય ને, તે પછી રાત- દહાડો એના એ જ સ્વપ્નાં આવે. પ્રશ્નકર્તા : ખરાબ વિચાર આવે છે, તે પણ ચિત્ત વગર આવે છે ? દાદાશ્રી : હા, ચિત્તને અને વિચારને કશી લેવાદેવા નથી. પ્રશ્નકર્તા : એમ માને કે મને બહારથી કોઈ વસ્તુનો વિચાર આવ્યો, તો એ બહારની વસ્તુ આપણા ચિત્તનું હરણ કરે છે. એ થયું કે ના થયું? દાદાશ્રી : ના, એ બે વસ્તુનું બેલેન્સ નથી. આ હોય તો આ હોવું સંભવે એવું નથી. બનતાં સુધી હોય, પણ આ હોય તો આ હોય જ એવું નથી. ઘણાં ફેરો વિચાર એકલા હોય ચિત્તનું હરણ ના યે થયું હોય. ઘણાં ફેરો ચિત્ત ગયું હોય અને વિચારમાં ના હોય. એમ હોય ને એમ ના પણ હોય. મુક્ત દશાની પારાશીશીતને એવો અનુભવ છે કે વિષયમાં ચિત્ત જાય ત્યારે ધ્યાન બરાબર રહેતું નથી ? પ્રશ્નકર્તા : ચિત્ત જો સહેજ પણ વિષયનાં સ્પંદનોને ટચ થયેલું હોય તો કેટલાંય કાળ સુધી પોતાની સ્થિરતા ના રહેવા દે અને ચિત્ત એને અડીને પાછું છૂટી ગયું હોય તો પોતાની સ્થિરતા જાય નહીં. પેલું જો એક જ વખત આમ ‘ટચ’ થયું હોય, તે સ્થૂળમાં નહીં પણ સૂક્ષ્મમાં પણ થયું હોય, તો પણ એ કેટલોય વખત હલાવી નાખે. દાદાશ્રી : અમારું ચિત્ત કેવું હશે ?! એ કોઈ દહાડો સ્થાનમાંથી છૂટ્યું જ નથી !!! અમે બોલીએ ત્યારે નિરંતર આમ મોરલીની પેઠ ડોલ્યા (પા. ૧૮૯)કરે. ત્યારે ચિત્તની પ્રસન્નતા ઊભી થાય. નહીં તો મોઢું ખેંચાઈ ગયેલું હોય, જીભેય ખેંચાઈ ગયેલી હોય, લોકો તો આંખો વાંચીને કહી દે કે આ ખરાબ દ્રષ્ટિવાળો છે. ઝેરીલી દ્રષ્ટિ હોય તેનેય લોક કહી દે કે આની આંખમાં ઝેર છે. એવી જ રીતે આંખમાં વીતરાગતા છે એ પણ સમજી શકે છે. લોક બધું સમજી શકે એમ છે, પણ દાળ-ભાત-રોટલી-શાક ખાઈને વિચારે તો !! પણ ખાઈને સૂઈ જાય તો ના સમજે. હું શું કહેવા માગું છું કે જગત આખામાં ફરો. કોઈ પણ વસ્તુ તમારા ચિત્તને હરણ ન કરી શકે તો તમે સ્વતંત્ર છો. કેટલાંય વર્ષથી મારા ચિત્તને મેં જોયું છે કે કોઈ ચીજ હરણ કરી શકતી નથી એટલે પછી મારી જાતને હું સમજી ગયો, હું તદ્દન સંપૂર્ણ સ્વતંત્ર થયો છું. મનમાં ગમે તેવા ખરાબ વિચાર આવે તેનો વાંધો નથી, પણ ચિત્તનું હરણ ના જ થવું જોઈએ. ભટકતી વૃત્તિઓ ચિત્તનીજેટલી ચિત્તવૃત્તિઓ ભટકે તેટલું આત્માને ભટકવું પડે. જ્યાં ચિત્તવૃત્તિ જાય, તે ગામ આપણે જવું પડશે. ચિત્તવૃત્તિ નકશો દોરે છે. આવતા ભવને માટે જવા-આવવાનો નકશો દોરી નાખે. એ નકશા પ્રમાણે પછી આપણે ફરવાનું. તો ક્યાં ક્યાં ફરી આવતી હશે ચિત્તવૃત્તિઓ ? પ્રશ્નકર્તા : પણ ચિત્ત ભટકે, એમાં શું વાંધો ? દાદાશ્રી : ચિત્ત જે પ્રમાણે પ્લાનીંગ (યોજના) કરે, તે પ્રમાણે આપણે ભટકવું પડશે. માટે જવાબદારી આપણી, જેટલું ભટક ભટક કરે તેની ! ચિત્ત ચેતન છે, એ જ્યાં જ્યાં ચોંટ્યું, ત્યાં ત્યાં ભટક, ભટક, ભટક કર્યા કરવું પડે ! પ્રશ્નકર્તા : ચિત્ત જ્યાં ને ત્યાં નથી ઝલાઈ જતું, પણ એક ઠેકાણે ઝલાયું તો તે આગલો હિસાબ છે ? દાદાશ્રી : હા, હિસાબ છે તો જ ઝલાય. પણ આપણે હવે શું કરવું? (પા. ૧૯૦)પુરુષાર્થ એનું નામ કહેવાય કે હિસાબ હોય ત્યાંય ઝલાવા ના દે. ચિત્ત જાય અને ધોઈ નાખે ત્યાં સુધી અબ્રહ્મચર્ય ગણાતું નથી. ચિત્ત જાય ને ધોઈ ના નાખે તો એ અબ્રહ્મચર્ય કહેવાય. તેથી કહ્યું ને, ‘માટે ચેતો મન- બુદ્ધિ, નિર્મળ રહેજો ચિત્તશુદ્ધિ.’ મન-બુદ્ધિને ચેતવે છે. હવે આપણે ચિત્તવૃત્તિ નિર્મળ રાખવા શું કરવું પડે ? આજ્ઞામાં રહેવું પડે. અમારું ચિત્ત સંપૂર્ણ શુદ્ધ રહે, એટલે પછી કશું અડેય નહીં ને નડેય નહીં. તમે જેમ જેમ આજ્ઞામાં રહેતા જશો તેમ તેમ પહેલાનું જે અડ્યું હોય, જેમ ચંદ્રગ્રહણ લખેલું હોય છે તે આઠ વાગ્યાથી તે એક વાગ્યા સુધી, એટલે આઠ વાગ્યે શરૂ થાય પછી એક વાગ્યા પછી ફરી ચંદ્રનું ગ્રહણ નથી, એવું આજ્ઞામાં રહ્યા કરો એટલે જે ગ્રહણ થઈ ગયેલું છે તે છૂટી જાય અને પછી નવું જોખમ ઊડી જાય. એટલે પછી વાંધો નહીં ને ! ચિત્તની ચોંટ, છૂટે આમ...જે ચિત્તને ડગાવે એ બધા જ વિષય છે. જ્ઞાનની બહાર જે જે વસ્તુમાં ચિત્ત જાય છે, એ બધા જ વિષય છે. પ્રશ્નકર્તા : આપે કહ્યું કે વિચાર ગમે તે આવે તેનો વાંધો નથી, પણ ચિત્ત ત્યાં જાય તેનો વાંધો છે. દાદાશ્રી : હા, ચિત્તની જ ભાંજગડ છે ને ! ચિત્ત ભટકે એ જ ભાંજગડને ! વિચાર તો ગમે તેવા હશે, એ વાંધો નહીં. પણ ચિત્ત આ જ્ઞાન મળ્યા પછી આઘુંપાછું ના થવું જોઈએ. પ્રશ્નકર્તા : વખતે એવું થાય તો એનું શું ? દાદાશ્રી : આપણે, ત્યાં આગળ ‘હવે એવું ના થાય’ એવો પુરુષાર્થ માંડવો પડે. પહેલાં જેટલું જતું હતું એટલું જ હજુ પણ જાય છે ? પ્રશ્નકર્તા : ના, એટલું બધું સ્લીપ થતું નથી, છતાં એ પૂછું છું. દાદાશ્રી : ના, પણ ચિત્ત તો જવું જ ના જોઈએ. મનમાં ગમે તેવા ખરાબ વિચાર આવશે તેનો વાંધો નહીં, એને ખસેડ ખસેડ કરો. એની જોડે વાતચીતોનો વ્યવહાર કરો કે ફલાણો ભેગો થઈ જશે તો ક્યારે એ (પા. ૧૯૧)કરશો ? એના માટે લારીઓ, મોટરો ક્યાંથી લાવીશું ? અગર તો સત્સંગની વાત કરીએ એટલે મન પાછું નવા વિચાર દેખાડશે. પૂર્વે જે પર્યાયોનું ખૂબ વેદન કર્યું હોય, તે અત્યારે વધારે આવે. ત્યારે ચિત્ત ત્યાં જ ચોંટી રહે. જેમ જેમ એ ચોંટ ધોવાતી જાય તેમ તેમ ત્યાં પછી ચિત્ત વધારે ના રહે. ચોંટે અને છૂટું પડી જાય. અટકણ આવે ને ત્યાં જ ચોંટેલું રહે. ત્યારે આપણે શું કહેવું ? તારે જેટલા નાચ કરવા હોય એટલા કર. હવે ‘તું જ્ઞેય ને હું જ્ઞાતા’ આટલું કહેતાંની સાથે જ એ મોઢું ફેરવી નાખશે. એ નાચે તો ખરાં, પણ એનો ટાઈમ હોય એટલી વાર નાચે. પછી જતા રહે. આત્મ સિવાય આ જગતમાં બીજું કંઈ જ સરસ નથી. આ તો પૂર્વે જેનો પરિચય કરેલો હોય, એ પહેલાંનો પરિચય અત્યારે ડખો કરાવે છે. વધારેમાં વધારે ચિત્ત ફસાય શેમાં ? વિષયમાં અને ચિત્ત ફસાયું એટલું ઐશ્વર્ય તૂટી ગયું. ઐશ્વર્ય તૂટયું એટલે જાનવર થયો. એટલે વિષય એવી વસ્તુ છે કે એનાથી જ બધું જાનવરપણું આવ્યું છે. મનુષ્યમાંથી જાનવરપણું વિષયને લીધે થયું છે. છતાં આપણે શું કહીએ છીએ કે આ તો પહેલેથી સંઘરેલો માલ છે, તે નીકળે તો ખરો પણ ફરી નવેસરથી સંઘરો નહીં કરો, એ ઉત્તમ કહેવાય. (પા. ૧૯૨)[9] ‘ફાઈલ’ સામે કડકાઈવિકારી દ્રષ્ટિ સામે ઢાલપ્રશ્નકર્તા : એ જે મોહની જાળ નાખે તો એનાથી કેવી રીતે બચવું ? દાદાશ્રી : આપણે દ્રષ્ટિ જ ના માંડીએ. આપણે જાણીએ કે આ જાળ ખેંચનારી છે, એટલે એની જોડે દ્રષ્ટિ જ માંડવી નહીં. પ્રશ્નકર્તા : લેડીઝ જોડે આંખે આંખ ના મેળવવી ? દાદાશ્રી : હા, આંખે આંખ ના મેળવવી અને જ્યાં આપણને લાગે કે આ તો અહીં ફસામણ જ છે, ત્યાં તો એને ભેગા જ ના થવું. આપણને તરત ઓળખાયને કે આ વસમી છે, એવું ? પ્રશ્નકર્તા : વ્યવહારમાં આપણા જે ઓળખાણવાળા હોય, તે આવીને આપણી જોડે વાત કરે તો તેનો આપણે સમભાવે નિકાલ કરવો જોઈએ. પણ એમાં એની દ્રષ્ટિ ખરાબ હોય તો આપણે શું કરવું ? દાદાશ્રી : તો આપણે નીચું જોઈને બધું કામ કરવું. આપણે એની આગળ નાની ઉંમરના હોઈએ, આમાં બીજું કશું સમજતો નથી એવું કરી નાખવું. એને એમ જ લાગે કે આ કશું સમજતો જ નથી એટલે પછી એ જતી રહે. તને કોઈ એવી ભેગી થાય, તો એ એવું જાણે કે આ બધું ‘સમજી’ ગયેલો છે ? તું એવું દેખાડવા ફરું કે ? એ બધું બબૂચકપણું કહેવાય. વેપારીનો છોકરો વેપાર કરવા બેઠો હોય તો સો રૂપિયાની ચીજનો (પા. ૧૯૩)સો રૂપિયાને બદલે અઠ્ઠયાસી રૂપિયા ભાવ બોલી ગયો હોય, પછી પેલો ઘરાક કહે, માલ કાઢો જોઈએ. એટલે છોકરો પોતે સમજી જાય કે મારી બોલવામાં ભૂલ થઈ છે, એટલે તે શું કરે ? પેલાને કહે કે, ‘આવો માલ છયાસીમાં મળશે અને બીજો છાસઠવાળોય છે અને એકસો પાંચ રૂપિયાવાળોય છે.’ આવું બધું બોલીએ એટલે છેદ-બેદ થઈને બધું ઊડી જાય ને પેલો સમજી જાય કે આ વાત બધી જુદી છે. એવી રીતે આમાંય સામી વ્યક્તિને ખબર પડે કે આ પારંગત નથી. આપણે પારંગત છીએ કે નહીં એવું એ એકવાર જોઈ લે. પારંગત નથી એવી ખબર પડી કે રાગે પડી ગયું, પછી એ છોડી દે અને બબૂચક થયો કે એનું બધું ગયું, પેલી ફસાવી મારે. આપણું મન જો હેરાન થઈ જાય તો આપણે બુદ્ધિ વાપરવી કે ‘તારામાં અક્કલ નથી.’ એવું કહીએ એટલે એ એની મેળે જ ભાગી જાય. પણ ભાગી ગઈ એટલે ફરી દવા ચોપડવી પડશે. એ ભગાડવામાં ફાયદો નથી, પણ એ તો ના છૂટકે. આપણું મન હેરાન થઈ જાય ત્યારે એવું કરવું પડે. નહીં તો એવા જોડે દ્રષ્ટિ જ ના માંડીએ, તો બસ થઈ ગયું. સૌથી સારામાં સારું, દ્રષ્ટિ જ ના માંડીએ, નીચું જોઈ જવું, આઘાપાછા થઈ જવું, એ બધો સરળ માર્ગ. ખેંચાણમાં તણાવું નહીં, આંખ ખેંચાય ત્યાંથી છેટા રહેવું. બીજે જ્યાં સીધી આંખો હોય ત્યાં બધે વ્યવહાર કરવો, પણ આંખ ખેંચાય ત્યાં જોખમ છે, લાલ વાવટો છે. કોઈની જોડે દ્રષ્ટિ મિલાવીને વાત કરવી નહીં, નીચી દ્રષ્ટિ રાખીને જ વાત કરવી. દ્રષ્ટિથી જ બગડે છે. એ દ્રષ્ટિમાં વિષ હોય છે અને વિષ પછી ચઢે છે. એટલે દ્રષ્ટિ મંડાઈ હોયને, નજર ખેંચાઈ હોય તો તરત પ્રતિક્રમણ કરી લેવું, અહીં તો ચેતતા જ રહેવું જોઈએ. જેને આ જીવન બગડવા ના દેવું હોય એણે બિવેર રહેવું. જાણી-જોઈને કોઈ કૂવામાં પડે ખરું ?! વિકારી ચંચળતાઆપણે અહીં ચા પીતો હોય, ખાતો હોય, બધું કરતો હોય તોય બહાર ધર્મધ્યાન રહે અને અંદર શુક્લધ્યાન રહે. કોઈકને જ નિકાચિત કર્મવાળો હોય તેનું જ મન વિકારી થાય, ત્યારે એ લપસ્યો કહેવાય. (પા. ૧૯૪)નિકાચિત કર્મવાળો કો’ક હોય આમાં. તેને વિકારી વિચાર આવે. એ ચંચળતાવાળો હોય. ચંચળ થઈ ગયેલો હોય. ચંચળ તમને ઓળખાય કે ના ઓળખાય ? આમ જોતો હોય, તેમ જોતો હોય. એને કહીએ કે ‘ભઈ, કેમ આમ થઈ ગયો બા.’ ત્યારે કહે કે વિકારી વિચાર આવ્યો એટલે ચંચળ થઈ ગયો. અને એટલે ધર્મધ્યાન અને શુકલધ્યાન બેઉ જાય. બાકી આપણા મહાત્માઓને ધર્મધ્યાન અને શુક્લધ્યાન બેઉ રહે. પછી ભલેને ખાય-પીવે, ઓઢીને સૂઈ જાય, લાંબો થઈને સૂઈ જાય. આવા નિકાચિત કર્મવાળાએ અમને પૂછવું કે અમારે શું કરવું ? હવે શી દવા ચોપડવી ? બહુ ઊંડા ઘા પડી જાય. એવા કર્મવાળા હોય તો અમને પૂછવામાં વાંધો નહીં. એ ખાનગીમાં પૂછે એટલે અમે કહી દઈએ, ને દવા બતાવી દઈએ કે આમ દવા ચોપડજે, એટલે ઘા રુઝાઈ જાય. ફાઈલ થઈ ગઈ ત્યાં...પ્રશ્નકર્તા : એક જ સ્ત્રી સંબંધી વારંવાર વિચાર આવતા હોય તો એનાં સંબંધી રાગ છે એવું સમજવું. દાદાશ્રી : એ બાંધેલી ફાઈલ છે. હવે વિચાર આવે ને પછી ઊડી જાય. પછી કશું ના હોય તો એ ફાઈલ હજુ બાંધી નથી, હજુ નવી ફાઈલ લાવ્યા નથી. પેલી તો બાંધેલી ફાઈલ, કેટલાંય કેસ મહીં છે. પ્રશ્નકર્તા : કોઈવાર પહેલાં મળ્યા ના હોય, ઓળખાણ ના હોય, ખાલી અડધો કલાકની મુલાકાત થઈ એવા. દાદાશ્રી : એનું નામ જ ફાઈલ. ફાઈલ એટલે આપણા મગજમાં પેસી જાય એ ફાઈલ કહેવાય બધી. પ્રશ્નકર્તા : આ તે ભૂતની જેમ પેસી ગયું. દાદાશ્રી : હા, ભૂતની પેઠ પેસી જાય. પ્રશ્નકર્તા : એનાં ઉપાય તરીકે પ્રતિક્રમણ તો ચાલે જ છે. (પા. ૧૯૫)દાદાશ્રી : બસ એ જ. બીજો ઉપાય નહીં અને ત્યાં આગળ બહુ જ સાવચેત રહેવું પડે, બહુ જાગૃતિ રાખવી પડે. તારે એવું કશું તો નથી ને ! પ્રશ્નકર્તા : ત્રણ-ચાર દિવસથી એનાં એ જ વિચારો આવ્યા કરે છે ભૂતની જેમ, આવું પહેલાં કોઈ દિવસ બન્યું નથી. દાદાશ્રી : તે સારું ઊલટું, ત્રણ-ચાર દિવસથી, પણ અમારી હાજરીમાં આવે છે ને ? આ અહીં અમારી પાસે છું તે વખતે આવે છે ને, બહુ સારું નિવેડો આવી જાય. નીકળી જાય. સત્સંગ હોય નહીં, એકલો હઉ ને એ બધું આવે, તો પછી એ બીજો માળો રચે. પ્રશ્નકર્તા : બુદ્ધિ પાછો આવો માળો પણ રચે છે. પણ હું ઊડાડી દઉં છું. દાદાશ્રી : બીજો માળો રચે. પ્રશ્નકર્તા : લગ્ન સુધીનો. દાદાશ્રી : હા. બધું રચે, એટલે ચેતતા રહેવાનું છે. હવે બિવેર બોર્ડ મારવા, ચોર ગજવામાંથી લૂંટી જશે તેનો વાંધો નથી. એ તો ફરી આવશે પણ આ લૂંટાયો ! એક દહાડાનું શું ફળ મળે, ખરેખર લૂંટાય ત્યારે. એક દહાડામાં આ લૂંટાય તો શું ફળ મળે ? પ્રશ્નકર્તા : પાશવતા કહેવાય, અધોગતિ. દાદાશ્રી : હં. બિવેર લખી રાખવું, જ્યાં ને ત્યાં. બીજું કંઈ આખી દુનિયા જોડે સાચવવાનું નથી. જ્યાં ખેંચાણ થતું હોય એટલું જ સાચવવાનું છે ! ખેંચાણ કરનારું કોણ ? બહુ ત્યારે પાંચ, દસ કે પંદર હોય. બહુ હોય નહીં... એટલું જ સાચવવાનું. બીજાને તો ખોળામાં બેસીએ તોય ના ખેંચાય. એવું સેફસાઈડવાળું જગત છે આ. તમારું પાંચ, દસ કે પંદર હોય, બહુ છેલછબીલો હોય તેને પચાસ હોય. સામે ‘ફાઈલ’ આવે ત્યારે...પ્રશ્નકર્તા : અમુક ટાઈમે એ સમજ રહેતી નથી. (પા. ૧૯૬)દાદાશ્રી : આપણો ફોર્સ તૂટી જાય, તો એ સમજ ઊડી જાય. તે આપણો નિશ્ચય તૂટી જાય એટલે સમજ ઊડી જાય. આપણા નિશ્ચયને લઈને જ રહે. નહીં તો પુદ્ગલ એવું નથી બિચારું. પુદ્ગલને સારું-ખરાબ નથી લાગતું. એ તો ‘બહુ સારી વસ્તુ, સારી વસ્તુ, સારી વસ્તુ છે,’ એમ કર્યું એટલે પછી એ ધક્કો મારે. ‘ખરાબ છે, ખરાબ છે’ એમ કરીએ તો પછી પેલું તૂટી જાય. જ્યાં મન ખેંચાતું હોય, તે ફાઈલ આવે તે ઘડીએ મન ચંચળ જ રહ્યાં કરે. તે ઘડીએ મન ચંચળ થાય ને અમને મહીં બહુ દુઃખ થાય. આનું મન ચંચળ થયું હતું. એટલે મારી આંખ કડક થઈ જાય. ફાઈલ આવે તે ઘડીએ મહીં કૂદાકૂદ કરી મેલે. ઉપર જાય, નીચે જાય, ઉપર જાય, નીચે જાય. એના વિચાર આવતાંની સાથે, એ તો મહીં નર્યો ગંદવાડો ભરેલો છે, કચરો માલ છે. મહીં આત્માની જ કિંમત છે ! ફાઈલ ગેરહાજર હોય ને યાદ રહે તો બહુ જોખમ કહેવાય. ફાઈલ ગેરહાજર હોય તો યાદ ના રહે પણ એ આવે કે તરત અસર કરે એ સેકંડરી જોખમ. આપણે એની અસર થવા જ ના દઈએ. સ્વતંત્ર થવાની જરૂર. આપણી તે ઘડીએ લગામ જ તૂટી જાય. પછી લગામ રહે નહીં ને ! લાકડાની પૂતળી, સારીએક ભૂલ ના થવી જોઈએ. ફાઈલ હોય ને સંડાસ જવા બેઠી હોયને કહેશે કે ધોઈ આપ. તો શું કહેશે ? ધોઈ આપે બધા ? પ્રશ્નકર્તા : જોવાનું જ ના ગમે, તો ધોવાનું શું ગમે ?! દાદાશ્રી : તું તો ધોઈ આપું હઉં ? ચાટે હઉં ? મને લાગે છે ! એ સંડાસ જતી દેખાય પછી તને ધોવાનું કહે, નહીં તો ‘નહીં બોલું’ કહે તો ? પ્રશ્નકર્તા : ચાલશે, નહીં બોલું તો. દાદાશ્રી : તે ઘડીએ છોડી દઉં, તો આજે છોડી દે ને ? (પા. ૧૯૭)તેથી કૃપાળુદેવ એમ લખે છે, ‘લાકડાની પૂતળી તો સારી હોય. એમાં સંડાસ મહીંથી નીકળવાનું નહીં. નરી ગંધ આ તો ! એ મોઢું જુએ તોય ગંધાતા હોય. ભ્રાંતિ ચઢી જાય ને એટલે કેફ ચઢી જાય તો ભાન ના રહે. એટલે ચીતરી ના ચઢે પછી. પ્રશ્નકર્તા : બધાંને એનો અનુભવ છે જ ! દાદાશ્રી : તે ઘડીએ સંડાસ કરવા બેઠી હોય ત્યારે જુએ તો ચંચળ રહે કે ના રહે ? પ્રશ્નકર્તા : ના રહે. પ્રેમ તૂટી જાય. દાદાશ્રી : પ્રેમ છે જ ક્યાં આ ? ખાલી સાયકોલોજીકલ ઈફેક્ટ છે. તે ઘડીએ આપણે વીંટ વીંટ કરવું પડે. આ છતું વીંટ્યું હતું, તે ઊંધું વીંટ વીંટ કરીએ તો નીકળી જાય, ખલાસ થઈ જાય. ‘મારું, મારું’ કરીને ચોંટ્યો. હવે ‘ન્હોય મારું, ન્હોય મારું’ કરે તો જતું રહે. અગ્નિ ને ‘ફાઈલ’ સરખાંજ્યાં ખેંચાણ થતું હોય ત્યાં જાગ્રત રહો. ખેંચાણ ના થતું હોય તો વાંધો નહીં. વારે ઘડીએ ખેંચાણ થતું હોય તો જાણવું કે આ હજુ ફાઈલ છે. પ્રશ્નકર્તા : અમુક ફાઈલ હોય તો ખેંચાણ થાય. દાદાશ્રી : ચેતીને ચાલજો. આપણું જ્ઞાન છે તો બ્રહ્મચર્યવ્રત રહી શકે એમ છે. કારણ કે શુદ્ધાત્મા જુદો પાડેલો છે. એટલે રહી શકે. નહીં તો કોઈ જગ્યાએ રહી ના શકે. દાદાએ આપેલો ‘હું શુદ્ધાત્મા છું’ એમ કહેતાંની સાથે એ કમ્પ્લીટ જુદો થઈ જાય. એ શંકા વગરનો છે. બીજે બધે શંકાવાળું. પ્રશ્નકર્તા : ‘પોતે’ જુદો રહે છે એટલે જ અમુક ફાઈલ આવી અને ચંચળતા થઈ, એ બધું ખબર પડે. દાદાશ્રી : હા, ખબર પડે જ ને ! પેલો જુદો ના થયો હોય તો (પા. ૧૯૮)ખબર ના પડે એટલે તન્મયાકાર જ રહે. ખબર પડે, હાલી ઊઠ્યું સમજાય. હવે બધું કેમ કરવું તેય પણ જાણે, બધા સંજોગો આવડે. તારે રાગે રહે છે કે એવું જ બધું ? હજુ ચંચળ થઈ જઉં છું ને ? પ્રશ્નકર્તા : મારે એવું કંઈ બન્યું જ નથી. દાદાશ્રી : એ બન્યું છે. હું તો ચંચળતાને જોઉંને ! તને ખબર ના પડે. દેહ ચંચળ થયો હોય, તે તને ખબર ના પડે. હું ઓળખી જઉં ને, ચંચળતાને ! પ્રશ્નકર્તા : મન બગડે એટલે તો પોતાને ખબર પડે ને ? દાદાશ્રી : મન બગડે, વિચારો બગડે તો તને ખબર પડે. પણ દેહ ચંચળ થયો હોય તે આમ ખબર ના પડે. દેહ ચંચળ થઈ જાય છે. એ તો સામું જોવાની શક્તિ હોવી જોઈએ. સંડાસમાં એનો દેખાવ જોઈ લેવો જોઈએ. એ કડક જ રહેવું જોઈએ. આ તો સુંવાળું લાગે. એકદમ કડક અગ્નિ જાણીને છેટું રહેવું પડે. પ્રશ્નકર્તા : અમુક વાર દાદા ઊંધી સાઈડનો કોન્ફિડન્સ વધારે થઈ જાય છે. દાદાશ્રી : એમાં દાનતચોર હોય છે. કડક ના થાય તો જાણવું કે અહીં કાચું છે હજુ. જેનાથી પોતાને નુકસાન થાય. એનાથી જો છેટો ના રહે ને, તો મૂર્ખો જ કહેવાય ને ?! અને આ તો અધોગતિ કહેવાય. આ ભૂલને ના ચલાવી લેવાય. વિષય-વિકાર ને મરણ બેઉ સરખું જ છે. કાપો કડકાઈથી ‘એને’જેને ફાઈલ થયેલી જ હોય, એને માટે બહુ જોખમ રહ્યું. એના માટે કડક રહેવું. સામે આવે તો આંખ કાઢવી જોઈએ. તો એ ફાઈલ ડરતી રહે. ઊલટું ફાઈલ થયા પછી તો લોક ચંપલ મારે, તો ફરી એ મોઢું દેખાડતો જ ભૂલી જાય. કેટલાંક લોકો બહુ ચોક્કસ રહેવાના. જેને ચોક્કસ થવું હોય તેને. નહીં તો મોળું પડી જાય. (પા. ૧૯૯)આંખ કડક કરીએને તો ફાઈલ ના થાય. એને ખરાબ લાગે એવું વર્તન કરીએ તો ફાઈલ થાય નહીં. મીઠું વર્તન કરીએ તો ચોંટે અને ખરાબ વર્તન કર્યું, એ ગુનો બીજે દિવસે માફ થઈ શકે એમ છે. એ આપણને ચોંટે નહીં એવું આપણે બોલવું જોઈએ. એ ગુનો માફ થવાનો રસ્તો હોય છે. પણ આ ચોંટે, તેનો ગુનો માફ થવાનો રસ્તો નથી. એનાથી જ આ સંસાર બધો ઊભો રહ્યો છે બધો. પ્રશ્નકર્તા : ફાઈલ હોય, એના ઉપર આપણને તિરસ્કાર ઊભો ના થતો હોય તો જાણી-જોઈને તિરસ્કાર ઊભો કરવો ? દાદાશ્રી : હા. તિરસ્કાર કેમ ઊભો ના થાય ? જે આપણું આટલું બધું અહિત કરે છે, તેના પર તિરસ્કાર ના થાય ? માટે હજુ પોલ છે ! દાનત ચોર છે ! આપણું અહિત કરે, આપણું ઘર બાળી મેલ્યું હોય તોય છે, તે આપણને એના પર તિરસ્કાર ના હોય ? આ તો મહીં દાનત ચોર છે એવું અમે સમજી જઈએ. પ્રશ્નકર્તા : તિરસ્કાર મહીં ઊભો થાય છે પણ બુદ્ધિ પછી ફેરવી કાઢે છે. દાદાશ્રી : ફેરવી કાઢે, એનું કારણ શું કે દાનત ચોર છે. પ્રશ્નકર્તા : બહુ પરિચય થયો હોય તો એનો અપરિચય કેવી રીતે કરવો ? તિરસ્કાર કરીને ? દાદાશ્રી : ‘ન્હોય મારું, ન્હોય મારું’ કરીને, ઘણાં પ્રતિક્રમણ કરવાં. ‘ન્હોય મારું, ન્હોય મારું’ કરીને પછી કાઢી નાખો બધું, પછી રૂબરૂમાં મળી જાય તે ઘડીએ આપી દેવું જોઈએ. ‘શું મોઢું લઈને ફર્યા કરે છે, જાનવર જેવી, યુઝલેસ !’ પછી એ ફરી મોઢું ના દેખાડે. ત્યાં છે દાનતચોરપ્રશ્નકર્તા : જબરજસ્ત અહંકાર કરીને પણ આ વિષયને ઉડાડી મેલવાનો છે. (પા. ૨૦૦)દાદાશ્રી : હા. પછી આ અહંકારની દવા કરી લેવાય. પણ પેલો રોગ કે જ્યાં બળવો થવાનો ત્યાં દાબી દેવો પડે. આ તો દાનત ચોર એટલે મીઠાં રહે છે. હું સમજી જાઉં. પ્રશ્નકર્તા : જ્યાં દાનત ચોર છે, તો એને સુધારવા માટે શું ? એનો ઉપાય શું ? નિશ્ચય સ્ટ્રોંગ કરવો એ જ ને ? દાદાશ્રી : આપણું નુકસાન કરે તો એની ઉપર દ્વેષ જ રહે, ખરાબ દ્રષ્ટિ જ રહે. આપણને ભેગું થતાં જ એ ભડકે. કડક થઈ ગયો છે. ખબર પડી જાય. એવું કડક થયું કે પછી અડે નહીં. પછી બીજું ખોળે એ. પ્રશ્નકર્તા : આપના જ્ઞાન પછી ખબર પડે કે આની જોડે આટલો કડક છું ને આટલો નરમ છું. દાદાશ્રી : હા. પણ નરમ રહેવું એ પોલ છે. હું તો જાણુંને બધું કે આ પોલ છે. પ્રશ્નકર્તા : જ્યાં નરમ રહેવાય ત્યાં કોઈ દિવસ ગુસ્સાવાળી વાણી નીકળી જ નથી. બીજે તો ભયંકર ગુસ્સો થાય છે. આપની વાત બિલકુલ સાચી છે. દાદાશ્રી : દાનત ચોર છે. અમે તરત જ સમજી જઈએ ને ! બહાર તો નરમ ઘેંસ ! પ્રશ્નકર્તા : આપ કહો છો, તે હજુ અમને ખબર નથી પડતી. દાદાશ્રી : તે પણ અમે જાણીએ ને ! અમે જમે કરીએ નહીં ! ગમ્મે એવું પ્રોમિસ તમે આપો તોય જમે કરીએ નહીં. અમે જમે ક્યારે કરીએ ? એવું વર્તન જોઈએ ત્યારે. પ્રશ્નકર્તા : આ એક બહુ મોટો રોગ થઈ ગયો છે. પોતા ઉપર વધારે પડતો વિશ્વાસ થઈ ગયો છે ખોટો. દાદાશ્રી : ભાન જ નહીં ને કોઈ પણ જાતનું. પોતા ઉપર અને પારકા ઉપર ભાન જ નહીં. (પા. ૨૦૧)પ્રશ્નકર્તા : આપણે ફાઈલનો તિરસ્કાર કરીએ તો અંદરથી એવું બતાડે કે એ આપણને ઊંધું સમજશે. દાદાશ્રી : ઊંધું સમજવું જ જોઈએ. એને આપણે ગાંડા છીએ એવું લાગવું જોઈએ. આપણે જે તે રસ્તે તોડી નાખવાનું ને પછી એની દવા થાય. આ વેર બંધાયું હોય તેની દવા થાય. પ્રશ્નકર્તા : જ્યાં સુધી એક જગ્યાએ પણ ઝલાયેલું હોય ત્યાં સુધી બીજી શક્તિ પછી પ્રગટ થતી નથી. દાદાશ્રી : આ તે ગળ્યું પોઈઝન છે, પોઈઝન ને પાછું મીઠું ! અને ‘ફાઈલ’ આવે, તે ઘડીએ તો કડક જ થઈ જવું. તો ‘ફાઈલ’ ધ્રુજે ! ‘યુઝલેસ ફેલો’ એમ હઉં કહી દો ખાનગીમાં, એટલે એ વેર રાખે, ચિઢાય તોય વાંધો નહીં. ચિઢાય એટલે રાગ ઊડી જાય, આસક્તિ ઊડી જાય બધી. અને એ સમજી યે જાય કે હવે ફરી આ આપણા લાગમાં ના આવે. નહીં તો પછી એ લાગ ખોળ્યા કરે. આ હવે સાચવજો બધું. ફાઈલ તો આપણી નજીક આવે ને ત્યાંથી જ મનમાં કડવું ઝેર થઈ જવું જોઈએ, આ ક્યાં અત્યારે ?! આ તો દાનતચોર છે ! આટલું જ ચેતવા જેવું છે. બીજું બધું ખાજો-પીજો ને, હું ક્યાં ના કહું છું ? કડક, આમ થવાયપ્રશ્નકર્તા : સામી ફાઈલ એ આપણા માટે ફાઈલ નથી, પણ એના માટે આપણે ફાઈલ છીએ એવું આપણને ખબર પડે તો આપણે શું કરવું ? દાદાશ્રી : તો તો વહેલું વધારે ઉડાડી દેવું. વધારે કડક થવું. એ ચીતરવાનું જ બંધ કરી દેને. ના હોય તો ગાંડું હઉં બોલવું. એને કહેવું કે ‘ચાર ધોલો મારી દઈશ, જો તું મારી સામે આવીશ તો ! મારા જેવો ચક્રમ નહીં મળે કોઈ.’ એવું કહીએ એટલે પછી ફરી પેસે નહીં. એ તો આવી જ રીતે ખસે. પ્રશ્નકર્તા : આવું ક્રેક બોલવાનું મને સારું ફાવે. (પા. ૨૦૨)દાદાશ્રી : હા. તને આવું કડક બોલતાં સારું ફાવે ને આ બધાંને શિખવાડવું પડે. તને સહજ આવડે. ઢીલું પડે એ બધા રોગ જ છે. આ તો તમને ભાન જ નથી કે અવળું બોલીને છૂટી જવાય. અપમાન દરેકને ગમતું નથી. ફાઈલ હોય તેનેય ગમતું નથી. એય નફ્ફટ નથી હોતી કે અપમાન કરીએ તો પછી આ ફાઈલ ઊભી રહે ?! પછી ચીતરવાનું જ બંધ કરી દે ને. અને જ્યાં સુધી આ મોળું હશે ને ત્યાં સુધી ચીતર ચીતર કરશે. એ ચીતરે એટલે આપણું મન ઢીલું થાય. ઈફેક્ટ છે બધી. તારે એના ઉપર દ્રષ્ટિ ના હોય પણ એ ચીતરે એટલે તારે મહીં ઈફેક્ટ બહુ થાય, એટલે પડે. તેથી ચીતરતો જ બંધ થઈ જાય એવું કરવું અને ઊલટું જ્યારે હોય ત્યારે ગાળો ભાંડે. એટલે આપણી માટે કહેશે, ‘ચાલો જવા દો ને એની વાત, એ તો બહુ ખરાબ છે.’ એટલે ઊંધું ચીતરે તો આપણને છોડી દે ! પ્રશ્નકર્તા : એટલે આપણને કોઈના પ્રત્યે એવો ખરાબ વિચાર આવે એટલે એને પણ આવે જ, એમ ? દાદાશ્રી : બહુ દહાડાને માટે વિચાર આવ આવ કરે એટલે એની અસર પેલા પર થયા વગર રહે નહીં. એવું આ જગત છે ! માટે એવું કડક બોલીને કાપી નાખો કે આપણું ફરી નામ જ ચીતરતો બંધ થઈ જાય. બીજા ઘણાંય છોકરાઓ છે, ત્યાં ચીતર ને ! અહીં ક્યાં આવે ? એને એમેય કહેવાય કે મારા જેવો ક્રેક હેડેડ બીજો કોઈ નહીં મળે. એટલે એય કહેતી થાય કે ક્રેક હેડેડ છે. જે તે રસ્તે છૂટવું છે ને આપણે ! બીજે બધે ડાહ્યા થજો ને ! તોડાય લફરું કળાએ કરીનેઅબ્રહ્મચર્યથી તો આ બધું આવું ગોટાળો છે જ. પ્રશ્નકર્તા : પછી પોતાની દ્રષ્ટિથી બહાર જ જતા રહેવાય છે. દાદાશ્રી : વિમુખ જ થઈ જાય છે ! ટચ જ ના હોવો જોઈએ ને ! એક બઈ એને છોડતી નહોતી. તે પછી કો’ક બીજી બઈને અમથું (પા. ૨૦૩)બોલાવીને હેંડ્યોને એની જોડે, તે પેલી સામું થઈ ગઈ ! ટેકલ કરતાં આવડવું જોઈએ. આને કળા આવડે બધી. છૂટી ગયો મારા ભઈ ! આને આવડતી નથી ને ઘાટ-ઘાટની ગાંસડીઓ જ બાંધ-બાંધ કરે છે. પ્રશ્નકર્તા : કળા શીખવજો. દાદાશ્રી : આ શીખવી કેટલી બધી ! ખાનગી કહેવાની હોય તે પણ ? બંધાયેલા હોય ને એમાંથી, પછી એક જણ પોતાનું તોડી નાખવા ફરતો હોય પણ તૂટે નહીં. એ તોડે નહીં ત્યાં તો એનું ફ્રેકચર કરી નાખવું પડે. ત્યાં વહેમ ઘાલી દેવાનો. પ્રશ્નકર્તા : એક જણ ફ્રેકચર કરે, પણ સામે કરવા ના દે એને. દાદાશ્રી : સામાનું જ ફ્રેકચર કરવાનું. આપણું ફ્રેકચર નહીં કરવાનું. સામો જ ચિડાય કે આ તો ઊલ્ટો ખરાબ નીકળ્યો, બનાવટી. પ્રશ્નકર્તા : સામેવાળાને એવું થવું જોઈએ કે આ બનાવટ કરી. દાદાશ્રી : આ અવળો જ છે. તે દા’ડે દા’ડે એના અભિપ્રાયો તૂટતા જ જાય. પછી બીજું આડુંઅવળું ચોપડે, ત્યારે તમારે છૂટવું હોય તો છૂટાય. પ્રશ્નકર્તા : તો આપણું જ ફ્રેકચર પૂરેપૂરું ના થયું હોય તો ? પોતાનું મન પૂરેપૂરું ફ્રેકચર ના થયું હોય તો ? દાદાશ્રી : પછી કોણ ના પડે છે તો ? તો પછી આ દરિયો નથી ! ડૂબી જાય. પ્રશ્નકર્તા : આપણું પહેલું ફ્રેકચર થઈ જવું જોઈએને ? દાદાશ્રી : આપણું કરવાનું જરૂર નથી. પહેલું સામાનું ફ્રેકચર કરી નાખને બધું. પછી આપણે આપણું જ્યારે કરવું હોય તો આ થઈ શકે છે, જેને એ કરવું છે એને ! પહેલું પોતાનું તો થાય જ નહીં ને ! પ્રશ્નકર્તા : જ્યાં સુધી સામેનું આકર્ષણ છે એટલે પોતાનું પહેલું ના થાય, એવું હશે ? (પા. ૨૦૪)દાદાશ્રી : થાય જ નહીં કોઈ દહાડો. જો સામો ગાળો ભાંડતો થઈ ગયો તો આપણે જ્યારે છોડવું હોય ત્યારે છૂટી જાય. પ્રશ્નકર્તા : તો સામાનું ફ્રેકચર કેવી રીતે કરાય પણ ? દાદાશ્રી : હજાર રસ્તા છે બધાં ! નહીં તો એક દા’ડો તો એની મોઢે કહેવું કે ‘શું કરું, મારું મન ગૂંચાય છે ! બે-ત્રણ જણ તારી જેવી હશે. બધાંને વચન આપ્યાં છે’ કહીએ. આ તો અહીંથી કાગળ લખે કે, ‘મને ગમતું નથી તારા વગર.’ ત્યારે છૂટે શી રીતે ? પછી વધારે વળગે પેલી. હવે તને આવડી જશે ને ? વળગાડી કહી ડીયર, તોડો આપી ફીયરઆપણું વિજ્ઞાન એટલું જ સુંદર છે કે તમને બધી રીતે એડજસ્ટ થઈ જાય. બહારનું એક્સેસ થઈ ગયું હોય તો આત્મા ખોઈ નાખે. બહુ જોરદાર થયું હોય તો આત્માનું વેદક જતું રહ્યું. જ્ઞાતા-દ્રષ્ટાપણું ઊડી જાય અને ભ્રાંતિ ખવડાવી દે એને મોહનીય કર્મ. પ્રશ્નકર્તા : બહારનું એક્સેસ થઈ જાય એમ આપે કહ્યું ને, એ કઈ કઈ રીતે એમ ? દાદાશ્રી : આ કોઈને સ્ત્રીની જોડે એકતા થઈ ગઈ. હવે પોતે છોડવા ફરે પણ સામી છોડે તો ને ? આપણે મળીએ નહીં ને તોય પેલી વિચાર આપણા ને આપણા કર્યા કરે. આપણા વિચાર કરે એટલે બંધાયેલા કહેવાય. વિચારોથી જ આપણે બંધાયેલા. એ વિચાર બંધ થાય નહીં ને આપણો છૂટકો ના થાય. માટે પહેલાં સમજવું જોઈએ. એટલે એનાં વિચારો તોડવા માટે શું કરવું પડે ? એની જોડે ઝઘડા કરવાં પડે, આમ કરવું જોઈએ, એની જોડે ઊંધું ઊંધું દેખાડવું જોઈએ. બીજી છોકરીને અમથા કહીએ, તું તો મારી બેન છો, કરીને હેંડને મારી જોડે ફરવા જરા, એવું પેલીને દેખાડવાનું એટલે એનું મન ફ્રેકચર કરી નાંખવાનું. ધીમે રહીને. પ્રશ્નકર્તા : બીજી ચોંટી પડે તો. (પા. ૨૦૫)દાદાશ્રી : બીજી ચોંટી પડે તો બીજીથી છૂટવું. જેને છૂટવું છે, એને બધું આવડે. પ્રશ્નકર્તા : એટલે એ સિવાય, પેલું વ્યવહારમાં વધારે પડતા ડૂબી જઈએ ધંધામાં-કામમાં તો આપણું જ્ઞાતા-દ્રષ્ટાપણું ઓછું થઈ જાય, એવું નહીં ને ? દાદાશ્રી : ધંધો એ આવી ફાઈલ નથી. આ તો દાવો માંડે એવી ફાઈલ છે. એ રાત-દા’ડો તમારે માટે વિચાર કરે ને તમને રાત-દહાડો બાંધ બાંધ કર્યા કરે. આપણે તો આપણે ઘેર હોઈએ તોય ધંધો ના બાંધે અથવા જલેબી બાંધે નહીં, કેરીઓ બાંધે નહીં. આ જીવતી બાંધે, આમાં ક્લેઈમ ને ? જે તમે સુખ ખોળો છો એ બાજુ, તો કોઈ માંગશે એટલે આ કલેઈમવાળું છે. સુખ તો જલેબી ખાધી ને ના ફાવી તો ફેંકી દીધી. બીજું શું ? દાવોય નહીં જલેબીનો, કશો વાંધો નહીં. આ બધી અમારી ઝીણી શોધખોળો બધી. નહીં તો છૂટાય કેવી રીતે ?! તને બહુ વાતો કામમાં લાગશે. તે દા’ડાનો મને પૂછ પૂછ કરે છે, ‘શી રીતે છૂટવું ?’ પછી મારે આમ ને આમ તો મારાથી કહેવાય નહીં, આવું બાંધેભારે કહું ત્યારે સમજી જવાનું. એય સમજે તો રાગે પડે, ના સમજે તો પછી... પ્રશ્નકર્તા : હવે જલ્દી રાગે પડવાની જરૂર છે. દાદાશ્રી : ઘરનું બગડશે, ઘરમાં ઊભો નહીં રહેવા દે. પ્રશ્નકર્તા : બહારેય બગડે તો બધે બગડે. દાદાશ્રી : અને આમ ઘેરેય ફ્રેકચર થઈ જશે. અહીંયે બધું ફ્રેકચર થઈ જશે. આખી રાત મારા માટે કોઈનેય વિચાર આવે કંઈ પણ કે દાદાએ મને આમ કર્યું ને તેમ કર્યું. દાદાએ મને નુકસાન કર્યું કે બીજી બાજુ ધંધામાં એ થયું, ફલાણું થયું તો એમાંથી બાંધે, પણ મને એવું એને માટે વિચાર આવે એવું મારી પાસે હોય જ નહીં ને, એટલે બાંધે શી રીતે ? (પા. ૨૦૬)હું વીતરાગ જ હઉં, તો એ બાંધેય શી રીતે ? હું ત્યાં ચોટું ત્યારે મને બાંધે. ત્યાં વીતરાગ રહેવું. છૂટવાનો રસ્તો આ. પ્રશ્નકર્તા : એટલે કેવી રીતે વીતરાગ રહો ? દાદાશ્રી : ગમે તેવું એ કરીને તોય આપણે એ પ્રકૃતિને દ્વેષેય નહીં ને રાગેય નહીં કરવાનો. એનું નામ સમભાવે નિકાલ ! એ ગમે તેવું ખરાબ કરે, ઊંધું કરે, નુકસાન કરે, જો હું એને કંઈ રીપેર કરવા જઉં, તો એનો અર્થ એટલો કે હું રાગ-દ્વેષમાં પડ્યો. તો મને હજુ જરૂર છે, ઈચ્છા છે મારી, રાગ-દ્વેષવાળી પ્રકૃતિ છે. તેનો સમભાવે નિકાલ કરવાનું કહ્યું છે. એનું મન આપણા તરફ રાગમાં રહે, તો બાંધે, એવું ના થવું જોઈએ. રાગ અથવા દ્વેષથી આ લોકોનાં મન બાંધે, પણ મારી જોડે સાચા પ્રેમથી બાંધે તો ઊલટું આખો દહાડો શાંતિ રહે. ભગવાન મહાવીર આ રીતે છૂટેલા ને, નહીં તો છૂટે નહીં. (પા. ૨૦૭)[10] વિષયી વર્તન ? તો ડિસમીસઅહીં કરેલાં પાપ, પમાડે નર્કદ્રષ્ટિ બગડે ત્યારે એ ખોટું કહેવાય. દ્રષ્ટિ ના બગડે, એનું નામ બ્રહ્મચર્ય કહેવાય. બહાર બગડે તો વાંધો નહીં. તેનુંય પ્રતિક્રમણ કરવું પડે. અહીં તો બધા વિશ્વાસથી આવે ને ! અને આ તો બીજે પાપ કર્યું હોય ને, તે અહીં આવે તો ધોવાઈ જાય, પણ અહીંનું પાપ કરેલું નર્કગતિમાં ભોગવાય. થઈ ગયાં હોય તેને લેટ ગો કરીએ પણ નવું તો થવા ના દઈએ ને ! થઈ ગયાનો કંઈ ઉપાય છે પછી. એક ફેરો ઊંધું કાર્ય થઈ જાય, અહીંથી બીજે જતો રહે એની મેળે જ, મોઢું દેખાડવા જ ના ઊભા રહે. નહીં તો પછી દુનિયા ઊંધી જ ચાલે ને, બ્રહ્મચર્યના નામ ઉપર ! અહીં એવું ચાલે નહીં ! ‘અન્ય ક્ષેત્રે કૃતમ્ પાપમ્, ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ.’ જે બહાર પાપ કરેલું હોય સંસારમાં, તે ધર્મક્ષેત્રમાં જાય એટલે નાશ થઈ જાય અને ‘ધર્મક્ષેત્ર કૃતમ પાપમ્ વ્રજલેપો ભવિષ્યતિ’ એ નર્કગતિમાં લઈ જાય. બહાર પાપ કરે ને અહીં પાપ કરે, એમાં બહુ ફેર ! અહીં તો પાપનો વિચારેય ના આવવો જોઈએ, વ્રજલેપ થાય. વ્રજલેપ એટલે નર્કનાં ટાંકા પડે, ભયંકર યાતના ભોગવવી પડે ! ન શોભે એપ્રશ્નકર્તા : હજુ પણ એવા વિચારો ને એવું કેમ થઈ જાય છે ? (પા. ૨૦૮)દાદાશ્રી : વિચારો જ મહીં ભર્યા છે. એ નીકળે ને, પણ વર્તનમાં નહીં આવવું જોઈએ, વર્તનમાં આવી ગયું તો બિલકુલ બંધ પછી. કાયમ માટે બંધ કરી દઈએ આપણે. આવાં અપવિત્ર માણસો અહીં પોસાય નહીં ને ? વિચાર આવે તેને જોનાર તું થઉં. પ્રશ્નકર્તા : એ તો બરાબર, સત્સંગમાં તો આવું ચાલે જ નહીં. દાદાશ્રી : ના. ન ચાલે. આ તો બહુ પવિત્ર જગ્યા, અહીં બનેલું જ નહીં આવું. એવાને કાયમને માટે બંધ જ કરી દેવાનું. સામો આટલો વિકારી હોય તો જ આવું હોય ! તમારે તો વિચાર આવે તો તરત જ તે ઘડીએ જોવું. ના જોવાય તો એનો પશ્ચાત્તાપ કરવો કે આ જોવાયું નહીં. તો એનો પશ્ચાત્તાપ કરું છું અને હવે તો કડક જ પગલું લેવાનું, ગમે તે હોય તો એને બંધ કરી દેવાનું. આવી પવિત્ર જગ્યા ! બાકી વર્તનમાં આવું હોય તેને, પહેલાં એક-બે જણાને બંધ કરી દીધાં, તે જોને હજુ કાયમ માટે અવાતું જ નથી. મોઢું પણ ના દેખાડે ને !! અહીં પહેલાં થઈ ગયું હોય તેનો સ્વીકાર કરવાનો, નવેસરથી તો થાય જ નહીં ને ! હવે વર્તનમાં ન આવે એટલું જોવાનું. કોઈ કાળમાં વર્તનમાં ના આવે. અને વર્તનમાં આવે તેને અમે એડમીટ કરતાં નથી. એટલે અપવિત્ર વિચાર આવે તો ખોદીને કાઢી નાખવો, સહેજ વિચાર આવતાંની સાથે જ. જેમ આપણા ખેતરા-બગીચામાં કોઈક અવળી વસ્તુ ઊગી હોય ને એ કાઢી નાખીએ છીએ, એવી રીતે અવળી વસ્તુ તરત ઊખેડી નાખવી. પાશવતા કરવી, તેનાં કરતાં પૈણવું સારું. પૈણવામાં શો વાંધો છે ? એ પાશવતા સારી હજુ, પૈણ્યાની ! પૈણવું નહીં ને ખોટા ચેનચાળા કરવા, એ તો ભયંકર પાશવતા કહેવાય, નર્કગતિના અધિકારી ! અને તે તો અહીં હોય જ નહીં ને ? પૈણવું એ તો હક્કના વિષય કહેવાય. વિચાર કરી જોજે પૈણવું કે ના પૈણવું, તે ? (પા. ૨૦૯)પ્રશ્નકર્તા : સવાલ જ નથી, નો ચાન્સ. દાદાશ્રી : હમણાં એવું ચોક્કસ ન થતું હોય ત્યાં સુધી ડિસીઝન ના લેવું બરોબર, ધીમે ધીમે ચોક્કસ કર્યા પછી જ ડિસીઝન લેવું. લપસણું સહજ, જો એક ફેર લપસ્યાબ્રહ્મચર્ય ભંગ કરવું એ મોટો દોષ. બ્રહ્મચર્ય ભંગ થાય ત્યારે મુશ્કેલી, હતા ત્યાંથી ગબડી પડ્યા. રોપેલું ઝાડ હોય દસ વર્ષનું અને પડી જાય તો પછી આજથી જ રોપ્યા એવું જ થયું ને પાછું દસેય વર્ષ નકામા ગયા ને ! અને બ્રહ્મચર્યવાળો પડી ગયો. એક જ દહાડો પડી જાય એટલે ખલાસ થઈ ગયો. અને જે માણસ આટલેથી અહીંથી લપસ્યો, એટલે પછી એ જે લપસ્યો એ એટલો જ ભાગ પાછો ફરી જોર કરે, એનો એ જ ભાગ એને લપસાવડાવે પાછો. એટલે પછી પોતાના કાબૂમાં ના રહે, પછી કાબૂ-કંટ્રોલ પણ ગુમાવી દે, ખલાસ થઈ ગયો. ત્યાં અમે ચેતવાનું કહીએ. મરી જઈશ, કહીએ. ન થાય સંગ સંયોગીજાગૃતિ રહે છે ને અત્યારે ? આનંદ શરૂ થઈ ગયો છે ને ! પેલા બધા તો આનંદમાં આવી ગયેલા. બધાનાં મોઢા પર નવી જાતનું તેજ આવ્યું. એક જ દિવાલ ઓળંગાય તો આનંદ શરૂઆત થઈ જાય અને પ્રગટ થઈ જાય તરત અને ના ઓળંગી ને લપસ્યો તો ત્યાં આગળ પછી ગાઢ થઈ જાય. પછી પાછો ઊંધો થઈ જાય. એટલે કસોટીને ટાઈમે સાચવી લેવાનું. પાતાળ ફૂટી જાય, ને આનંદ પછી નીકળ્યા કરે ! બીજું બધું થાય તેનો વાંધો નહીં. સંગ સંયોગી ના થવો જોઈએ. બીજું થાય એય વાંધો નહીં, એનો અર્થ એવો કે એ થાય તો બહુ. એટલી બધી ફીકર કરવા જેવું નથી. પણ સંયોગ તો મરણ છે. સ્ત્રી-પુરુષનો સંયોગ એ તો મરણ જ છે, એવું તમારા માટે છે. પ્રશ્નકર્તા : એટલે મરી જઈએ પણ એ ના હોવું જોઈએ. (પા. ૨૧૦)દાદાશ્રી : નહીં, એ મરણ જ છે. એમ ને એમ મરણ જ થઈ ગયું. કારણ કે જે આનંદ પ્રગટ થવાનો હતો, તે વખતે જ આપણે લપસ્યા. જેમ ઉપવાસ કર્યો હોયને, તો થોડા વખત માટે મહીં અંદર એ સરસ થઈ જવાનો હોય, પણ એ પહેલાં તો ખઈ લીધું હોય બધું ! એટલે ચેતતા રહેજો. નહીં તો આ તો ફરી આ ભૂમિકા મળે નહીં, આ ભૂમિકા કોઈ કાળમાં મળવાની નથી. માટે ચેતતા રહેજો. આ બધું સહેજ પણ ચૂકાય નહીં અને બહુ હુમલો થાય તો પછી મને ખબર આપજો અને બીજું બધું થાય તે એનું કંઈ જરૂર જ નથી. એ બધું યુઝલેસ ! સ્ત્રી-પુરુષનો સંયોગ નહીં થવો જોઈએ. બસ એટલું જ. બીજા બધાને તો હું લેટ ગો કરીશ. પ્રશ્નકર્તા : એટલે પેલા જેટલું જોખમ નહીં, બીજા બધામાં ? દાદાશ્રી : ના જોખમ નહીં. વધારેમાં વધારે જોખમ જ આ છે. આ તો આપઘાત જ છે. પેલાને થીગડા મારી લેવાય, એ દવા હોય છે બધી. હજુ તો ખરું તપ જેટલું કરશો એટલો આનંદ. આ તપ કરવાનું છે, બીજું કંઈ તપ નહીં. સામસામી નાનું હુલ્લડ થયું હોય ને ખબર આપીએ તો તરત જાપ્તો થઈ જાય. એવી રીતે જાપ્તો રાખવાનો છે. પ્રશ્નકર્તા : હવે અંદર આમ બ્રહ્મચર્ય માટે નિશ્ચય એવો થઈ જ ગયો છે ! દાદાશ્રી : નિશ્ચય તારો થઈ જ ગયો છે. મોઢા ઉપર નૂર આવ્યું ને ! પ્રશ્નકર્તા : આપણે જ્ઞાનમાં થોડી કચાશ રહે ને તો વાંધો નથી, પણ બ્રહ્મચર્યનું તો એકદમ પરફેક્ટ (ચોક્કસ) કરી લેવું છે. એટલે કમ્પ્લીટ (સંપૂર્ણ) નિર્મૂળ જ કરી નાખવું છે પછી આવતા અવતારની જવાબદારી નહીં. દાદાશ્રી : બસ, બસ. પ્રશ્નકર્તા : અત્યારે દાદા મળ્યા છે તો પૂરું જ કરી નાખવાનું. (પા. ૨૧૧)દાદાશ્રી : પૂરું જ કરી નાખવાનું. એ નિશ્ચય ડગે નહીં એટલું રાખવાનું. વિષયનો સંયોગ ના થવો જોઈએ. બીજું બધું તમારે હશે તો લેટ ગો (ચલાવી લઈશું) કરીશું. એની દવા બતાવીશું બધી. બીજી બધી ભૂલો પાંચ-સાત-દસ જાતની થાય, એની બધી જાતની દવાઓ બતાવી દઈશું. એની દવા હોય છે, મારી પાસે બધી જાતની દવાઓ છે. પણ આની દવા નથી. નવ હજાર માઈલ આવ્યો અને ત્યાંથી ના જડ્યું તો પાછો ફર્યો. હવે નવ હજાર પાંચસો માઈલ ઉપર ‘પેલું’ હતું ! એ પાછા ફરવાની મહેનત કરી, તેના કરતાં આગળ હેંડને મૂઆ ! જો ને આને નિશ્ચય થયો નથી, કેવી મુશ્કેલી છે ? પ્રશ્નકર્તા : નિશ્ચય તો છે પણ ભૂલો થઈ જાય છે. દાદાશ્રી : ભૂલો બીજી થાય તો ચલાવી લેવાય. વિષય સંયોગ ના થવો જોઈએ. તને પણ અમે ગણતરીમાં લીધો નથી ને જેને ગણતરીમાં લીધો હોય તેની આ વાત છે. તું જ્યારે તારું આ ટેસ્ટ એક્ઝામિનેશન દેખાડીશ, ત્યારે તને ગણતરીમાં લઈ લઈશું. પછી તનેય ઠપકો આપીશું. અત્યારે તને ઠપકો આપીએ નહીં. મઝા કર. પોતાના હિતને માટે મઝા કરવાની છે ને ? શેના માટે મઝા કરવાની છે ? પ્રશ્નકર્તા : મઝા કરવામાં પોતાનું હિત તો ના થાય. દાદાશ્રી : ના થાય. ત્યાર પછી મઝા શું કરવા કરે છે ? દાદાની ત્યાં મૌન કડકાઈઆ વિષય બાબતમાં સંયોગ થાય તો અમારી કડવી નજર ફરી જાય, અમને તરત બધી ખબર પડી જાય. એ ‘દાદા’ની નજર કડવી રહે છે, તેય વિષય એકલામાં જ, બીજી બાબતમાં નહીં. બીજી બાબતમાં કડવી નજર નહીં રાખવાની. બીજી ભૂલો થાય પણ ‘આ’ તો ન જ હોવી જોઈએ. અને થઈ તો અમને કહી દેવી રિપેર કરી આપીએ, છોડાવી આપીએ. પ્રશ્નકર્તા : અહીં તો છૂટવા માટે તો દાદા પાસે આવવાનું છે બધી રીતે. (પા. ૨૧૨)દાદાશ્રી : એનો વાંધો નહીં. એટલા માટે તો આ આપ્તપુત્રોને મેં બધું લેખિત લીધું કે મારે કાઢી ના મેલવા પડે, તમારી મેળે જ જતું રહેવાનું. પેલો વિષય એ ‘સંયોગ’રૂપે થતો હોય ને, તેને અમારી કડવી નજર થાય ને એટલે એ છૂટી જાય, એની મેળે જ. તાપ જ છોડાવી નાખે. અમારે વઢવું ના પડે. એવી કડવી નજર પડે, પેલાને તાપથી રાતે ઊંઘ ના આવે. એ સૌમ્યતાનો તાપ કહેવાય. પ્રતાપનો તાપ તો જગતના લોકો પાસે છે. પ્રતાપ તો મોંઢા પર તેજ હોય બધું, આમ બ્રહ્મચર્ય સારું, બળવાન હોય શરીર, વાણી એવી પ્રતાપશીલ, વર્તન એવું પ્રતાપશીલ. એ પ્રતાપ તો હોય સંસારમાં, સૌમ્યતાનો તાપ ના હોય કોઈની પાસે. હવે આ બે ભેગું થાય ત્યારે કામ થાય. સૂર્ય-ચંદ્રના બંને ગુણો. એકલા પ્રતાપી પુરુષો ખરા. પણ થોડા, બહુ આવા દુષમ કાળમાં તો હોય જ નહીં ને ! પ્રશ્નકર્તા : અને આપણું આ જ્ઞાન જ એવું છે ને કે મહીંથી જ આમ ગોદા મારીને ચેતવ્યા કરે. દાદાશ્રી : હા, એ ગોદા મારે. પ્રશ્નકર્તા : એટલે સહેજ કંઈ આઘુંપાછું થયું હોય ને, તો મહીં પેલી બૂમાબૂમ મચી જાય કે આ ચૂક્યા, પાછા ફરો અહીંથી. એટલે મહીં સેફમાં જ આખું ખેંચી લાવે આપણને. દાદાશ્રી : હારવાની જગ્યા થાય તો મને કહી દેવું. એક અવતાર અપવિત્ર નહીં થાય તો મોક્ષ થઈ ગયો, લીલી ઝંડી અને લગ્ન કરો તોય વાંધો નહીં, તોય મોક્ષને વાંધો નહીં આવે. પ્રશ્નકર્તા : આપણે ઈચ્છાપૂર્વક કોઈને અડીએ, એને વર્તનમાં આવ્યું કહેવાય ને ? દાદાશ્રી : ઈચ્છાપૂર્વક અડીએ ? તો તો વર્તનમાં જ આવ્યું કહેવાય ને ! ઈચ્છાપૂર્વક દેવતાને અડી જોજે ને ?! પ્રશ્નકર્તા : ખ્યાલમાં આવ્યું. (પા. ૨૧૩)દાદાશ્રી : એ પછી આગળની ઇચ્છા તો, ઇચ્છા થઈ ત્યાંથી તો કાઢી જ નાખવી જોઈએ, મૂળમાં ઊગતાં જ, બીજ ઊગતાં જ આપણે જાણીએ કે આ શેનું બીજ ઉગે છે ? ત્યારે કહે કે વિષયનું. તો તોડીને કાઢી નાખવાનું. નહીં તો એને અડતાં આનંદ થયો એટલે પછી તો ખલાસ થઈ ગયું. એ જીવન જ નહીં ને માણસનું ! હવે કાયદા સમજીને કરજો આ બધું. જેને વર્તનમાં આવ્યું એટલે અમે બંધ કરી દઈએ. કારણ કે નહીં તો આ સંઘ તૂટી જાય. સંઘમાં તો વિષયની દુર્ગંધ આવે જ નહીં. એટલે આવું હોય તો મને કહી દેજે. પૈણું તોય ઉપાય છે કે પૈણું તો મોક્ષ કંઈ નાસી જવાનો નથી. તને ઉપાય રહે એવું કરી આપીશું. આપ્તપુત્રો માટેની કલમોજેને નિશ્ચય છે ને એ રહી શકે છે ! જ્ઞાની પુરુષનો માથે આધાર છે. જ્ઞાન લીધેલું છે, સુખ તો મહીં તો હોય ને, પછી શાના માટે બધું કૂવામાં પડવાનું ? એટલે જે આ પ્રમાદ કર્યા ને, ત્યાર પછી મને ગમતા જ નથી તમે. હજુ પ્રમાદી અને આમ બધા યુઝલેસ. કશું ઠેકાણું જ નહીં ને ! મારી હાજરીમાં ઊંઘે એટલે પછી શું વાત કરવી ? ક્યારે લખીને આપવાના છો ? પ્રશ્નકર્તા : તમે કહો ત્યારે. હમણે લખી આપીએ. દાદાશ્રી : બે કલમો, એક વિષયી વર્તન, વિષયી વર્તન થાય તો અમે જાતે નિવૃત્ત થઈ જઈશું, કોઈને નિવૃત્ત કરવા નહીં પડે. એવું લખવાનું. જાતે જ આ સ્થાન છોડીને અમે ચાલ્યા જઈશું અને બીજું આ પ્રમાદ થશે તો સંઘ જે અમને શિક્ષા કરશે તે ઘડીએ. ત્રણ દા’ડાની ભૂખ્યા રહેવાની કે એવી તેવી, જે કંઈ શિક્ષા કરે તે સ્વીકારીશું. અમે ક્યાં વચ્ચે પડીએ ! સંઘ છે ને આ. આ લોકો મારી હાજરીમાં આટલું ઊંઘે તે સારું દેખાય ? હા, બપોરે તો ઊંઘતા હતા તે આ પકડાયા બધાં. પહેલાંય બહુ દા’ડા પકડાયેલા. આ તો બધો કચરો માલ છે. તે તો ભઈ સમો જેમ તેમ મહીં થોડો ઘણો થયો. તારે એવું લખીને આપવાનું. આપ્તપુત્ર એવું લખીને આપે આપણને. બે કલમો, કઈ કઈ કલમો લખીને આપે ? (પા. ૨૧૪)પ્રશ્નકર્તા : એક તો ક્યારે પણ વિષયસંબંધી દોષ નહીં કરું અને કરું તો યે... દાદાશ્રી : કરું તો તરત હું મારે ઘેર જતો રહીશ. આ આપ્તપુત્રની જગ્યા છોડીને જતો રહીશ. તમને મોઢું દેખાડવા નહીં રહું. અને બીજું જ્ઞાની પુરુષની હાજરીમાં ઝોકું નહીં ખાઉં. પ્રમાદ નહીં કરું કોઈ જાતનો. આ બે શરતો લખીને બધા તૈયાર થઈ જાવ. એટલે બ્રહ્મચર્ય મહત્વનું છે. હું એમને કહું છું, પૈણો નિરાંતે. પણ કહે છે નથી પૈણવું. હું ના નથી કહેતો. તમે પૈણો. પૈણશો તોય મોક્ષ આમાં જતો નહીં રહે એટલે અમારા માથે આરોપ ના આવે. તમને ના પોષાતી હોય વહુ, તેમાં હું શું કરું તે ! ત્યારે કહે, અમને પોષાતી નથી. એવો ખુલાસો કરે છે ને ! એટલે તારે પોષાય તો પૈણજે અને ના પોષાય તો મને કહેજે. મહીં માલ ભરેલો હોય, તો પૈણીને પછી એનો હિસાબ પૂરો કરો. એ પૈણ્યા એટલે કાયમ કોઈ ધણી થઈ બેસતો નથી. બધા રસ્તા હોય છે. મન બગડે તો પ્રતિક્રમણ કરવા પડે, તે શૂટ ઑન સાઈટ જોઈએ. મનથી દોષો થાય તે ચલાવી લેવાય. તે અમારી પાસે ઉપાય છે, અમે તે વાપરીને ધોઈ નાખીશું. વાણીથી ને કાયાથી થાય તો ના ચલાવી લેવાય. પવિત્રતા જોઈશે જ ! કલમો તને ગમે છે ? પ્રશ્નકર્તા : ગમે છે. દાદાશ્રી : તો લખી લાવજે. ના ગમે તો નહીં. કલમો મંજૂર ના હોય તો હમણે બંધ રાખવાની. જ્યારે એડમીશન લેવા જેવું થાય ત્યારે કરવાની. અમારી હાજરીમાં જરાય ઊંઘ ના આવે કોઈને. ખામી નહીં આવવી જોઈએ બધી. વિનય નિરંતર રહેવો જોઈએ. આખો દહાડો મારી હાજરીમાં આંખ મિંચાય એ ચાલે નહીં અને અપવિત્રતા તો બિલકુલ ચાલે નહીં, અહીં બિલકુલ પવિત્ર પુરુષોનું કામ. પવિત્રતા હોય તો ત્યાં ભગવાન (પા. ૨૧૫)આઘાપાછા થાય નહીં ! મેં બધાને કહ્યું છે, ભઈ આવું પોલ તો ના ચાલે. એ અનિશ્ચય છે, આ આપ્તપુત્રો પૈણ્યા નથી પણ નિશ્ચય છે એટલે વર્તન બગડવા નહીં દેવાનું. એકેએકે બોલો જોઈએ, દ્રઢતાથી કોણ પાળશે ? એકેએકે બોલો ઊભા થઈને બોલોને ! વર્તન બગડે, તેને તો ડિસમિસ કરજો. કરાર લખીને મને આપ્યા. ના ચાલે અપવિત્રતા, ભૂંડ જેવો વ્યવહાર ! ભૂંડ ને આમાં ફેર શું રહ્યો તે ? જો પવિત્ર માણસો તૈયાર થયા છે, જગતનું કલ્યાણ કરશે ! (પા. ૨૧૬)[11] સેફસાઈડ સુધીની વાડજરૂરિયાતો, બ્રહ્મચર્યના સાધકનીતને બ્રહ્મચર્ય માટે પણ તાવી જોતાં આવડે ખરું ? એ તાવી જોતાં આવડે તો કામનું ! બધી રીતે તાવી જોવું જોઈએ ! પ્રશ્નકર્તા : આમાં મને પોતાને એવું લાગે છે કે, મારો પુરુષાર્થ બહુ મંદ છે. દાદાશ્રી : એ તો ત્યાં આગળ બધા જોડે રહેશેને, તે જો જો પુરુષાર્થનો જોગ !! પછી સ્ત્રી તો દીઠી ગમે નહીં. કારણ કે સત્સંગમાં રહેને એ તો બધા. પછી વિચારો એ બાજુ આવે નહીં ! પ્રશ્નકર્તા : એ સંગની બહુ અસર પડે. દાદાશ્રી : પછી બહુ સહેલું પડે. અત્યારે તો સંજોગો નથી ને ? તે આ બધા વિપરીત સંજોગો, કુસંગના અને પોતાને આજ્ઞા પાળવાની શક્તિ નથી બરોબર, દાદાની આજ્ઞા પાળો તો કશું નડે નહીં. એ તો આનો ઉપાય, ત્યાં બધા જોડે રહેશે ત્યારે જ થાય. એનો બીજો કોઈ ઉપાય નથી. બ્રહ્મચર્ય પાળી શકવા માટે આટલાં કારણો હોવાં જોઈએ. એક તો આપણું આ ‘જ્ઞાન’ હોવું જોઈએ. પાછી આટલી જરૂરિયાત જોઈએ તો ખરી, કે બ્રહ્મચારીઓનું ટોળું હોવું જોઈએ, બ્રહ્મચારીની જગ્યા શહેરથી જરા દૂર હોવી જોઈએ અને પાછળ પોષણ હોવું જોઈએ. એટલે આવાં બધા ‘કૉઝીઝ’ હોવાં જોઈએ. બ્રહ્મચારીઓનાં ટોળામાં હોય ત્યાં સુધી એ પ્રખ્યાત હોય, પણ જો છૂટો પડી ગયો તો એ પ્રખ્યાત ન હોય. પછી એ (પા. ૨૧૭)બીજા તાલમાં આવે ને ?! ટોળું હોય ત્યારે બીજો તો વિચાર જ ના આવે ને ? આ જ આપણો સંસાર ને આ જ આપણો ધ્યેય ! બીજો વિકલ્પ જ નહીં ને ! અને સુખ જોઈએ છે, તે તો મહીં પાર વગરનું હોય, અપાર સુખ હોય !! સંગ, કુસંગના પરિણામોપ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય માટે સંગબળની જરૂર પડે ને ? દાદાશ્રી : હા, જરૂર પડે. પ્રશ્નકર્તા : તો એનો અર્થ એવો કે આપણો નિશ્ચય એટલો કાચો છે ? દાદાશ્રી : ના, એ સંગબળની તો જરૂર ખરી. ગમે તેવો બ્રહ્મચારી હોય, પણ તેને કુસંગ માત્ર નુકસાનકારક છે. કારણ કે કુસંગનો પાસ જો અડે, તો એ નુકસાનકારક થયા વગર રહે જ નહીં. પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે કુસંગ નિશ્ચયબળને કાપી નાખે ? દાદાશ્રી : હા, નિશ્ચયબળને કાપી નાખે ! અરે, માણસનું આખું પરિવર્તન જ કરી નાખે અને સત્સંગેય માણસનું પરિવર્તન કરી નાખે. પણ એક ફેરો કુસંગમાં ગયેલો, સત્સંગમાં લાવવો હોય તો બહુ અઘરો પડી જાય અને સત્સંગવાળાને કુસંગી બનાવવો હોય તો વાર ના લાગે. કારણ કે કુસંગ એ લપસણું છે, નીચે જવાનું છે અને સત્સંગ એ ચઢવાનું છે. કુસંગીને સત્સંગી બનાવવો હોય તો ચઢવાનું, તે બહુ વાર લાગે અને સત્સંગીને કુસંગી બનાવવો હોય તો સપાટાબંધ, એક ઓળખાણવાળો કુસંગી મળે કે તરત જ બધું ‘રાગે’ (!) પાડી આપે. એટલે એ તો વિશ્વાસ કોઈનોય કરાય નહીં. આપણા જે વિશ્વાસુ હોય, એમના જ સંગમાં ફરવું જોઈએ. કુસંગ એ જ પોઈઝન છે. કુસંગથી તો બહુ છેટા રહેવું જોઈએ. કુસંગની અસર મન પર થાય, બુદ્ધિ પર થાય, ચિત્ત પર થાય, અહંકાર પર થાય, શરીર પર થાય. એક જ વર્ષના કુસંગની થયેલી અસર તો પચ્ચીસ-પચ્ચીસ વર્ષ સુધી રહ્યા કરે. એટલે એક જ વરસ દહાડાનું કેટલું (પા. ૨૧૮)બધું ખરાબ ફળ આવીને ઊભું રહે છે, એ પછી પસ્તાવો કર કર કરે તોય છૂટે નહીં અને એક ફેરો લપસ્યા પછી વધારે ને વધારે ઊંડું ગરકાય અને ઠેઠ તળીયે ઉતારી દે. પછી પસ્તાવો કરે, પાછું ફરવું હોય તોય ના ફરાય. એટલે સંગ સુધર્યો, તેનું બધું જ સુધર્યું અને સંગ બગડ્યો, તેનું બધું જ બગડ્યું. સૌથી મોટું જોખમ કુસંગ છે. સત્સંગમાં પડી રહેલાને વાંધો ના આવે. લશ્કર ગોઠવી ચઢો જંગે વીરોપ્રશ્નકર્તા : બધી ગાંઠો છે, તેમાં વિષયની ગાંઠ જરા વધારે પજવે છે. દાદાશ્રી : એ અમુક ગાંઠ વધારે પજવે. તેને માટે આપણે લશ્કર તૈયાર રાખવું પડે. આ બધી ગાંઠો તો ધીમે ધીમે એક્ઝોસ્ટ થયા જ કરે છે, ઘસાયા જ કરે છે; તે એક દહાડો બધી વપરાઈ જ જવાની ને ?! આ પાકિસ્તાનનું લશ્કર ગમે ત્યારે હુમલો કરે, તેના માટે આપણા હિન્દુસ્તાને તૈયારી રાખેલી છે કે નહીં ? એવી તૈયારી રાખવી પડે. પ્રશ્નકર્તા : એટલે જ બ્રહ્મચારીઓના સંગમાં રહેવાનું છે ને ? દાદાશ્રી : ના, તૈયારીમાં એ એકલું ના ચાલે. હજુ તો ઠેઠ સુધી લશ્કર રાખવું પડશે. પ્રશ્નકર્તા : સંપૂર્ણ સેફસાઈડ ક્યારે થાય ? દાદાશ્રી : સંપૂર્ણ સેફસાઈડ ક્યારે થાય, તેનું તો ઠેકાણું જ નહીં ને ! પણ પાંત્રીસ વર્ષ પછી જરા એના દિવસ આથમવા માંડે, એટલે એ તમને બહુ હેરાન ના કરે. પછી તમારા ધાર્યા પ્રમાણે ચાલ્યા કરે, એ તમારા વિચારોને આધીન રહે. તમારી ઇચ્છા ના બગડે, તમને પછી કોઈ નુકસાન ના કરે. પણ પાંત્રીસ વર્ષ સુધી તો બહુ જ જોખમદારી !! પ્રશ્નકર્તા : પાંત્રીસ વર્ષ સુધી કઈ સેફસાઈડ ? દાદાશ્રી : એ તો આપણો નિશ્ચય ! દ્રઢ નિશ્ચય અને જોડે પ્રતિક્રમણ ! (પા. ૨૧૯)પ્રશ્નકર્તા : એક વખત દ્રઢ નિશ્ચય થઈ જાય, પછી શું ? દાદાશ્રી : પછી નિશ્ચય ડગે નહીં, એટલે બસ થઈ રહ્યું ! પ્રશ્નકર્તા : અત્યારે અમારો દ્રઢ નિશ્ચય થઈ ગયો કહેવાય ? દાદાશ્રી : હજુ ના ગણાય. હજુ તો બહુ વાર લાગશે. એટલે હમણાં તો તમારે બ્રહ્મચારીઓના સંગમાં જ રહેવું. બાકી નિર્ભયપદ માની લેવા જેવું નહીં. પ્રશ્નકર્તા : લશ્કર એટલે શું ? પ્રતિક્રમણ ? દાદાશ્રી : પ્રતિક્રમણ, દ્રઢ નિશ્ચય, એ બધું લશ્કર રાખવું પડે અને ‘જ્ઞાની પુરુષ’નાં દર્શન, એ દર્શનથી છૂટા પડી જાવ તોય વેષ થઈ પડે. એટલે સેફસાઈડ એ કંઈ સહેલી વસ્તુ નથી. પ્રશ્નકર્તા : આપે કહેલું કે બ્રહ્મચારીનો સંગ, સંસારીઓથી દૂર અને સત્સંગની પુષ્ટિ, આ ત્રણ ‘કૉઝીઝ’ સેવશો તો બધું થઈ રહેશે. દાદાશ્રી : એ બધું નિશ્ચયને હેલ્પ કરે છે અને નિશ્ચય બળવાન કરવો, એ આપણા હાથની વાત છે ને ! સત્સંગના ભીડામાં રહેવાથી માણસ બગડે નહીં. કુસંગનો ભીડો આવે તો માણસ ખલાસ થઈ જાય. અરે, સહેજ કુસંગ અડકે તોય ખલાસ થઈ જાય. દૂધપાક હોય, તેમાં સહેજ મીઠું નાખ્યું તો ? પ્રશ્નકર્તા : આવો આનંદ તો ક્યાંય જોયેલો જ નહીં. એટલે ક્યાંય જવાનું મન ના થાય, અહીં જ ગમે. દાદાશ્રી : સિનેમામાં આનંદ મળતો હશે ને ? પ્રશ્નકર્તા : પણ પાછું બહાર નીકળ્યા એટલે એનાં એ જ. દાદાશ્રી : હા, હતો તેનો તે જ પાછો. અઢાર રૂપિયા તો વપરાઈ ગયા અને ઊલટી ઉપાધિ થઈ, ત્રણ કલાકનો ટાઈમ ખોયો. મનુષ્ય જન્મમાં ત્રણ કલાક તે બગાડાતાં હશે કે ? (પા. ૨૨૦)પ્રશ્નકર્તા : ત્રણ કલાક તો જુએ, પણ આગળ-પાછળ બીજી તૈયારી કરે તેમાંય વખત જાય ને ! દાદાશ્રી : હા, એ ટાઈમ પાછો જુદો. હું લોકોને પૂછું છું કે, ‘ચિંતા થાય છે ત્યારે શું કરો છો ?’ ત્યારે કહે છે કે, ‘સિનેમા જોવા જતો રહું છું.’ અલ્યા, આ સાચો ઉપાય ન હોય. આ તો અગ્નિમાં પેટ્રોલ નાખીને હોલવવા જેવી વાત છે. આ જગત પેટ્રોલની અગ્નિથી બળી જ રહ્યું છે ને ? એવી રીતે જ્યારે આ સૂક્ષ્મ અગ્નિ છે એટલે દેખાતું નથી, સ્થૂળ નથી બળતું. કળીયુગનો પવન બહુ ખોટો છે. આ તો જ્ઞાનને લઈને બચી જાય છે, નહીં તો કળીયુગના પવનની ઝાપટો એવી વાગે કે માણસને ખલાસ કરી નાખે. આ તો ઝંઝાવાતમાં ફ્રેકચર થઈ જાય બધું. એટલે જેટલાં અમને મળ્યા એટલા બધા બચી ગયા. આ તો ઝંઝાવાત છે, પ્રવાહ છે, એમાં અથડાઈ-કૂટાઈને મરવાનું ! રાત-દહાડો બળતરા !! કેમ કરીને જીવાય છે તે જ અજાયબી છે !!! વિષયી વાતાવરણથી વ્યાપ્યો વ્યાપારપ્રશ્નકર્તા : ઓફિસમાં બધે કુસંગ બહુ છે. ત્યાં બધી આવી વિષયોની ને આવી જ વાત ચાલતી હોય એટલે એ રમણતા એની જ ચાલ્યા કરે. દાદાશ્રી : આ જગત અત્યારે કુસંગ સ્વરૂપ જ છે. એટલે કોઈ જોડે ઊભું રહેવા જેવું નથી કશે. પ્રશ્નકર્તા : એમ થાય કે ક્યારે છૂટે આ. દાદાશ્રી : કાં તો એકલા બેસી રહેવું, કાં તો અહીં આવીને સત્સંગમાં પડી રહેવું, ગમે ત્યારે. કુસંગમાં નથી ઊભું રહેવા જેવું. પ્રશ્નકર્તા : પણ મને નોકરીનો જરા પણ શોખ નથી. (પા. ૨૨૧)દાદાશ્રી : શું કરીશું ના જાવ તો ? બહારનો કુસંગ અડવો ના જોઈએ, દાદાનું નિદિધ્યાસન નિરંતર રહેવું જોઈએ. આંખ મીંચીને દાદા દેખાય તો કુસંગ અડે જ નહીં ને ! ઓફિસમાં કુસંગ મળી આવે છે, નહીં ? પ્રશ્નકર્તા : એટલે આપણને ના ગમતું આવે એટલે પછી સંઘર્ષ થાય. દાદાશ્રી : સંઘર્ષ થઈને પણ નિકાલ થઈ જાય ને ? એ આવે છે ને, ‘હજુ કોઈ બીજા હોય તો આવી જાવ, મારે તો નિકાલ કરી નાખવા છે’ કહીએ, ગભરાવાનું નહીં. જ્યાં માનસિક સંઘર્ષ છે, ત્યાં એમાં તે વાર શું લાગે ? દેહનો સંઘર્ષ ના થવો જોઈએ. માનસિક સંઘર્ષનો વાંધો નહીં, એનો નિકાલ થઈ જશે. ન સંભળાય વિષયી વાણીવિષય-વિકારની વાણીય સાંભળે નહીં, પોતે બોલે પણ નહીં, એ વિષયની વાત સાંભળીએ તો મનમાં શું થાય ? પ્રશ્નકર્તા : મન બગડે ? દાદાશ્રી : એટલે એવી વાણી પોતે બોલેય નહીં, કો’ક બોલતો હોય તો તે સાંભળેય નહીં. આ વાણી એ મહાભારત નથી કે સાંભળવા જેવી હોય. પ્રશ્નકર્તા : ઓફીસમાં બેઠા હોય તો, એ ફરજિયાત સાંભળવાની આવે તો ? દાદાશ્રી : તો આપણને ના ચોંટે એવું કરવું. આપણને ઇન્ટરેસ્ટ હોય તો જ સંભળાય, નહીં તો સંભળાય નહીં. આપણો ઇન્ટરેસ્ટ ના હોય તો કાન સાંભળે પણ આપણને સંભળાય નહીં ! પ્રશ્નકર્તા : ઉપયોગની કચાશ હશે એટલે આવું થાય ? દાદાશ્રી : ઉપયોગમાં તો બધું આખોય કચાશ છે. જો ઉપયોગ હોય તો પેલું ના હોય અને પેલું હોય તો ઉપયોગ ના હોય ! પ્રશ્નકર્તા : પેલું આપે કીધેલું ને કે છ મહિના સુધી વિચાર આવે (પા. ૨૨૨)કે ‘પૈણવું છે, પૈણવું છે.’ છતાંય પોતે સ્થિર રહે પોતાનાં નિશ્ચયમાં તો તો પાર નીકળીએ. દાદાશ્રી : પેલું ઊડી જાય. નિશ્ચય મજબૂત હોવો જોઈએ. નિશ્ચય ઢીલો ના હોય. પ્રશ્નકર્તા : પછી સર્વિસમાં આ બધા જે કુસંગો ભેગા થાય છે. એનો નિકાલ કરી નાંખવાનો. એ જે આપે કીધું, તો એમાં શું કરવાનું ? એ નિકાલ કેવી રીતે કરવાનો ? દાદાશ્રી : આપણી આજ્ઞા પાળીને, પ્રતિક્રમણથી, નિકાલ કરી નાખવાનો. નિકાલ કરવો છે તેને નિકાલ થઈ જાય અને જેને લડવું છે તે લડે અને નિકાલ કરવો હોય તે નિકાલ કરી નાખે. તારી ઈચ્છા તો નિકાલ કરવાની ને ? ગમે તેવું હોય તોય ? પ્રશ્નકર્તા : ઓફિસમાં જોડેવાળા મને પૂછે, છોકરી જુએ તો તને કંઈ અસર થાય કે નહીં ? દાદાશ્રી : પછી ? પ્રશ્નકર્તા : પછી હું કહું છું કે છોકરી જોઉં તો આકર્ષણ થાય છે. પણ લગ્ન નથી કરવાનો એવું કહેતો નથી. એ લોકો નહીં તો ટીખળ કરે કે તું છોકરી જુએ અને તને કંઈ અસર ના થાય તો તારામાં કંઈ દમ જ નથી. એવું બધું નક્કી કરે એ લોકો. પછી એવો પ્રચાર કરે એટલે પછી કહું કે મને આકર્ષણ થાય છે. દાદાશ્રી : એવું ખોટું ના બોલવું. દમ એને જ કહેવાય છે કે આકર્ષણ ન થાય, દમ વગરનાંને જ આકર્ષણ બહુ થાય ઊલટું. ‘મને થતું નથીે, મને તો અડે જ નહીં.’ કહીએ. તેથી આપણે કહીએ છીએ ને કે ભઈ, આ આપ્તપુત્રો એક જગ્યાએ પેસી જાય, પછી આવી વાતો સાંભળવાની ના મળે. પોઈઝન ચઢે નહીં. સમભાવીનું ટોળુંઆ બહારનો પરિચય છે એ અવળો પરિચય છે અને જ્ઞાનીઓનો (પા. ૨૨૩)પરિચય પૂરો થયો નથી. જો પરિચય થયો હોત તો આવું થાત નહીં. એટલા માટે જ્ઞાનીઓ પાસે પડી રહેવાનું. બહારના પરિચયથી તો આ બધો માર ખાધો છે ને ?! બહારના પરિચયથી બધું જ બગડ્યા કરે, બહુ બગડે. જો બ્રહ્મચર્ય પાળવું હોય, તો બહારનો પરિચય રહે અને બ્રહ્મચર્ય પાળી શકીએ, એ બે બને નહીં ! એ તો ટોળું આખું જોઈએ, રહેવાનું સ્થાન જુદું જોઈએ, ત્યાં ભેગા બેસીને વાતોચીતો કરે, સત્સંગ કરે, ઘડીવાર આનંદ કરે. એમની દુનિયા જ નવી ! આમાં તો બ્રહ્મચારીઓ ભેગા રહેવા જોઈએ. બધા ભેગા ના રહે ને ઘેર રહે તો મુશ્કેલી ! બ્રહ્મચારીઓના સંગ વગર બ્રહ્મચર્ય ના પાળી શકાય. બ્રહ્મચારીઓનું ટોળું હોવું જોઈએ અને તેય પંદર-વીસ માણસનું જોઈએ. બધા ભેગા રહે તો વાંધો ના આવે. બે-ત્રણનું કામ નહીં. પંદર-વીસની તે હવા જ લાગ્યા કરે. હવાથી જ વાતાવરણ બધું ઊંચું રહે, નહીં તો બ્રહ્મચર્ય રાખવું તે સહેલું નથી. આપણે કંઈ ઓછી પેઢી કાઢવા આવ્યા છીએ ? કંઈ ગાદી સ્થાપવા આવ્યા છીએ ? આ તો આપણે નિકાલ કરવા માટે આવ્યા છીએ, પણ આ તો વચ્ચે નવી આઈટમ નીકળી ! તે એમેય ના કહેવાય કે તું બ્રહ્મચર્ય ના પાળીશ અને હા યે ના કહેવાય કે તું પાળજે. કર્મના ઉદય હોય તો પાળીય શકે અને પાળી શકે એટલે આપણે ના ન કહેવાય. બ્રહ્મચર્ય હોય તો લોકોનું કલ્યાણ કરવામાં પછી નિમિત્ત બની શકે ! બ્રહ્મચર્ય માટે ગયા અવતારમાં કંઈક નિશ્ચય કરેલો હોય, ત્યારે તો આ અવતારમાં નિશ્ચય કરવાનો વિચાર આવે, નહીં તો એ વિચાર જ ના આવે. બાકી દેખાદેખીથી કરેલું કામ જ નહીં, સ્વાભાવિક હોવું જોઈએ. સંગ એક જ પ્રકારનો હોવો જોઈએ. બીજો સંગ પેસવો ના જોઈએ. દૂધ તો દૂધ અને દહીં તો દહીં, અને દૂધ અને દહીં સહેજ નજીક મૂક્યા હોય તોય દૂધ ફાટી જાય. પછી ચા ના થાય. સંગબળની સહાયતા, બ્રહ્મચર્ય માટેપ્રશ્નકર્તા : સંગનું આટલું બધું મહત્ત્વ કેમ છે ? દાદાશ્રી : સંગ ઉપર તો આધાર રાખે છે. (પા. ૨૨૪)પ્રશ્નકર્તા : આટલાં બધા ભેગા થાય છે એટલે સંગબળ વધ્યું તો પરિણતી યે ઊંચી જતી રહે, એવું ખરું ? દાદાશ્રી : હા, એ જેમ સંગબળ વધે તેમ પરિણતી ઊંચી જાય. હમણાં ત્રણ જ સત્સંગી હોય તો ઓછી પરિણતી રહે, પાંચ હોય તો પાંચ જેટલી રહે અને હજાર માણસ હોય તો પછી કશો વિચાર જ ના આવે. બધાની સામસામી ઈફેક્ટ પડે. અત્યારે બ્રહ્મચર્ય રહે છે, તે તમારી પુણ્યૈ છે ને પુણ્યૈ ફરે ત્યારે પુરુષાર્થની જરૂર ! આના માટે ટોળામાં રહેવું. ટોળામાં એકમેકના વિચારોની અસરો પડે ! બ્રહ્મચર્ય પાળવું સહેલું નથી, એમાં કુદરતની યારી જોઈએ. આપણી પુણ્યૈ અને પુરુષાર્થ જોઈએ. પછી આનંદ ઉત્પન્ન થશે અને તેય તમે બધા ભેગા રહો ત્યારે થાય. કારણ કે સામસામી અસરો થાય. પચાસ બ્રહ્મચારીઓની સાથે પાંચ નાલાયક માણસ મૂકીએ તો શું થાય ? દૂધ ફાટી જાય. દાદા તો તૈયાર જ છે, તમારા બધાનો નિશ્ચય જોઈએ. બધાનું રાગે પડી જશે. અત્યારે ખત્તા ખાવ છો તેય સારું છે, કારણ કે અનુભવ પહેલાં થઈ ગયો હોય પછી તમે જુઓ જ નહીં, પણ આ બાજુનો અનુભવ ના થયો હોય તો પાછો કાચો પડી જાય. દીક્ષા લીધા પછી કાચો પડે તો વગોવાય ઊલટો, પાછો એને કાઢી મેલે ત્યાંથી ! પ્રશ્નકર્તા : એ તો બહુ મોટી જોખમદારી કહેવાય. દાદાશ્રી : જોખમદારી જ ને ! ત્યાંથી બધા કાઢી જ મૂકે. પછી ના રહે ઘરનો અને ના રહે ઘાટનો ! એના કરતાં અત્યારે અહીં ભૂલચૂક થઈ હશે તે ચલાવી લેવાશે, પણ પછી ત્યાં તો ભૂલ ના જ થવી જોઈએ. તને ખત્તા ખાવાના મળે છે કે નહીં ? પ્રશ્નકર્તા : એય ખત્તા ખાવા જેવા નથી. દાદાશ્રી : ખાવા જેવા નથી, પણ એ ખવાઈ જાય છે ને ! પણ ત્યાં આગળ જો ખત્તા ખાશો, ત્યાં ‘બ્રહ્મચર્ય આશ્રમ’માં રહેવાનું હોય, ત્યાં આગળ કંઈ ભૂલચૂક થાય તો બધા ભેગા થઈને કાઢી જ મૂકે. માટે પહેલેથી ચેતીને ચાલવું, છતાં ખત્તા ખાઈએ, તો નોંધ રાખ્યા કરવી. (પા. ૨૨૫)ચારિત્રની બૂમ ના હોવી જોઈએ ! ચારિત્રની બૂમ આવી ત્યાં ધર્મ જ નથી. એવું તો આખું જગત કબૂલ કરે. ચારિત્રની ભાંજગડ ના હોય ત્યાં. જો બીજી ભૂલચૂક હશે તો ચલાવી લેવાશે, પણ ચારિત્રની ભાંજગડ તો ન જ ચલાવી લેવાય. ચારિત્ર તો મુખ્ય આધાર છે. ધર્મમાં તો વિષયનો શબ્દ જ ના હોય. ધર્મ હંમેશા વિષયની વિરુદ્ધ જ હોય. આ બ્રહ્મચર્ય તમે સાચવવાના કે ? પ્રશ્નકર્તા : હા દાદા, સાચવવાના. દાદાશ્રી : હું બધાંને એ જ કહું છું કે તમારે નિશ્ચય મજબૂત કરવો જોઈએ. આપણું ‘જ્ઞાન’ છે તે પાર ઉતારે એવું છે, બાકી ‘જ્ઞાન’ ના હોય તો પાર જ ના ઉતરે. ‘જ્ઞાન’ના આધારે, ‘જ્ઞાન’ને લીધે તમને શાંતિ રહે છે, આનંદ રહે છે. તમે જ્ઞાનમાં પેસો એટલે પેલું વિષયનું દુઃખ તમે ભૂલી જાવ. આપણું જ્ઞાન એવું સરસ છે કે એ વિષય વગર રહી શકે છે. ક્રમિક માર્ગમાં તો સ્ત્રીને જોવાય નહીં, અડાય નહીં, બધું ખાવાનું ભેગું કરીને ખાવાનું, એવા બહુ જાતના કાયદા હોય. બ્રહ્મચર્ય તો એવું હોય કે આમ મોઢું જોઈને જ લોક અંજાઈ જાય, એવો બ્રહ્મચારી પુરુષ તો દેખાય ! (પા. ૨૨૬)[12] તિતિક્ષાનાં તપે કેળવો મન-દેહભણો પાઠ તિતિક્ષાનાતિતિક્ષા એટલે શું ? ઘાસ કે પરાળમાં સૂઈ જવાનું થાય ત્યારે કાંકરા ખૂંચતા હોય, તે ઘડીએ યાદ આવે કે, ‘બળ્યું, ઘેર કેટલું સરસ મઝાનું હતું.’ તો એ તિતિક્ષા ના કહેવાય. કાંકરા ખૂંચે તે સરસ છે એવું લાગવું જોઈએ. આ તો મેં તમને સૂવા એકલાની જ બાબત કહી, બાકી જ્યારે તેવા સંજોગ બેસે ત્યારે શું કરવું પડે ? એટલે દરેક બાબતમાં આવું હોય. સહન ના થાય એવી સખત ટાઢમાં વગર ઓઢવાને સૂવાનું થયું તો ત્યાં શું કરો ? તમે તો એવી પ્રેક્ટિસ નહીં પાડેલી. મેં તો પહેલાં આવી બહુ પ્રેક્ટિસ કરેલી. પણ હવે તો આ સંજોગ બધા એવા સુંવાળા ભેગા થયા કે મારો ઊલટો તિતિક્ષા ગુણ ઘટી ગયો, નહીં તો મેં તો બધા તિતિક્ષા ગુણ કેળવેલા. આ જૈનોએ બાવીસ પ્રકારના પરિષહ સહન કરવાનું કહ્યું. એટલે આ બધું સમજવાની જરૂર છે. એટલે હવે તમે શરીર માટે તિતિક્ષા ગુણ કેળવો, એટલે આ શરીરને મુશ્કેલીની પ્રેક્ટિસ પડી જાય ! ખોરાકમાં જે મળ્યું તેમાં આશ્ચર્ય ના થાય કે ‘આવું ? આ તો શી રીતે ભાવે ?’ એવું ટાઢ-તડકો બધી બાબતમાં જોઈએ. રાત્રે બે વાગે તમને કોઈ ઊઠાવી જાય અને પછી સ્મશાનમાં જઈને તમને મૂકી દે તો તમારી શી દશા થાય ? એક બાજુ ચિતા સળગતી હોય, બીજી બાજુ હાડકાંમાંથી ફોસ્ફરસના ભડકા થતા હોય, તો તે ઘડીએ તમને મહીં શું થાય ? (પા. ૨૨૭)પ્રશ્નકર્તા : એવું વિચારેલું જ નહીં ને ! દાદાશ્રી : એવું વિચાર્યું જ નથી ? પ્રશ્નકર્તા : અમારે વસ્તુની સમજ નથી એટલે અનુભવ થતો નથી. અનુભવ નિરંતર રહેતો નથી એવો ? દાદાશ્રી : આ તમને તો સમજણ જ નહીં ને ! આ તો તમને મહીં ઠંડક એની મેળે રહે ત્યાં સુધી જ બરાબર રહે, પણ એ તો ઊડી જતાં વાર જ નહીં લાગે ને ! આ છોકરાઓને કશી સમજણ જ નહીં ને ! એમને કોઈ કહે કે, ‘બાબા, લે આ બિસ્કિટ’, તો પેલો બિસ્કિટ આપીને હીરો પડાવી લે. એટલે આમની સમજણ કેવી ? વસ્તુની કિંમત જ નહીં ને ! પણ આ છોકરાઓ પુણ્યશાળી ખરાં, પણ બાળક કહેવાય. આ બધા વ્રત લેનારા બધાય બાળક કહેવાય. સહેજ દુઃખ આવે તો આ બધુંય ભેલાડી દે ! આ તો ગમે તેવા દુઃખને ગણકારે નહીં ત્યારે આ વ્રત રહે. મારી આજ્ઞામાં ચોખ્ખો રહે ત્યારે આ વ્રત રહે ! પ્રશ્નકર્તા : આપ તિતિક્ષા ગુણ કહેતા હતા કે ગમે તે અવસ્થામાં દુઃખ સહન કરવાનું, એવું ? દાદાશ્રી : આ લોકોએ કશુંય દુઃખ જોયું જ નથી. દુઃખ જોવાનું હોય, તે પહેલાં તો આ લોકોનો આત્મા ઊડી જાય ! છતાં પણ આમ કરતાં કરતાં આ છોકરાઓ પોષાઈ જાય ને દસ-વીસ વર્ષ થઈ જાય તો પછી એને ગેડ બેસી જાય બધી ને મૂળિયાં નાખી દે. બાકી, આ તો બધા પોમલા માણસો કહેવાય. પ્રશ્નકર્તા : આમ તો બધા સ્ટ્રોંગ લાગે છે. દાદાશ્રી : કોણ આ ? ના, એ તો એવું લાગે તમને. પણ આ તો બધા પોમલા ! આ તો તરત બધુંય છોડી દે. સ્ટ્રોંગ તો, ગમે તે થાય, મરવાનો થાય તોય આત્મા મારો ને દાદાની આજ્ઞા છોડું નહીં, એનું નામ સ્ટ્રોંગ કહેવાય. જે આવવું હોય તે આવો, કહીએ ! હવે આ છોકરાઓનું બધાનું ગજું જ શું ? તિતિક્ષા નામનો ગુણ આમનો કેળવાયેલો જ નથી ને ? (પા. ૨૨૮)પ્રશ્નકર્તા : આપને પગે ફ્રેકચર થયું હતું, જોન્ડિસ થયો હતો, આવા બધા કષ્ટો સામટાં આવ્યાં, એક જ જગ્યાએ, એક જ પોઝીશનમાં ચાર મહિના બેસી રહેવાનું, તો આ બધું ટેસ્ટ એક્ઝામિનેશન કહેવાય ને ?! દાદાશ્રી : આ તો કષ્ટ જ ન હતું, આને કષ્ટ ના કહેવાય. પ્રશ્નકર્તા : તમને ના લાગે. દાદાશ્રી : ના, બીજાનેય કષ્ટ ના ગણાય. આને કંઈ કષ્ટ ગણાતું હશે ? અરે, કષ્ટ તો તમે જોયાં નથી. આ બ્રહ્મચારીજી પથરા ઉપર ઊભા રહીને તપ કરતા હતા, તે એમને જોયા હોય તો તમને એમ મનમાં થાય કે આવું એક દહાડોય આપણાથી નહીં થાય. મને હઉ થતું ને, કે આ પ્રભુશ્રીના શિષ્ય બ્રહ્મચારીજી આવું કરે તો પ્રભુશ્રી કેટલું કરતા હશે ? અને કૃપાળુદેવ તો વળી કેવુંય કરતા હશે !!! લોક એમના પરથી મચ્છરાં ઊડાડી જાય ને કંઈક ઓઢાડી જાય તો એ પોતે ઓઢવાનું કાઢી નાખે અને નિરાંતે મચ્છરાં કૈડવા દે ! એક આત્મા જ પ્રાપ્ત કરવો છે, એવો ધ્યેય લઈને બેઠેલા. હવે આમને આ પુણ્યૈથી મફતમાં પ્રાપ્ત થઈ ગયું છે, બાકી તિતિક્ષા હોવી જોઈએ. પ્રશ્નકર્તા : એ લોકોએ ક્રમિક માર્ગ હતો એટલે ત્યાગ કર્યો હતો. આપણા અક્રમ માર્ગમાં તિતિક્ષા કરવી હોય તો શું કરવાનું ? દાદાશ્રી : આપણે અહીં ત્યાગ કરવાની જરૂર નથી. આત્મા પ્રાપ્ત કરેલાને એવા સંજોગો કો’ક વખત ઉત્પન્ન થાય છે. તે વખતે જો એ સ્ટ્રોંગ રહ્યો તો રહ્યો, નહીં તો ફફડી ઊઠે. માટે પહેલેથી તૈયારી રાખવી જોઈએ. પ્રશ્નકર્તા : આ છોકરાઓ અત્યારે જે સુખના સરાઉન્ડીંગમાં જીવે છે, એ સુખના પ્રમાણમાં એમને કોઈ ઉઠાવીને સ્મશાનમાં મૂકી આવે તો તે વધારે પડતું દુઃખ કહેવાય ને ? દાદાશ્રી : કેમ સ્મશાનમાં ? ત્યાં શું દુઃખ છે ? પ્રશ્નકર્તા : એ બરાબર છે, પણ અમાસની રાત્રે અંધારામાં કોઈ દહાડો ગયો ના હોય અને ત્યાં પેલું ઘુવડ પક્ષી બોલે તો... (પા. ૨૨૯)દાદાશ્રી : હા, ઘુવડ તો શું ? પણ એક કાગડો ઊડે તોય ફટાકા મારે. એટલે આ લોકોએ દુઃખ સમતાપૂર્વક સહન કરવું જોઈએ. જે કંઈ પણ કરો તે મને પૂછીને કરજો. આ લોકોને હજુ તો આટલુંય દુઃખ સહન કરવાની શક્તિ નથી. પોલીસવાળો મારે ને કહે કે, ‘તમે ફરી જાવ છો કે નથી ફરી જતા ?’ તો આ લોકો ફરી જાય, આત્મા ને બધુંય છોડી દે. જ્યારે પેલા ક્રમિક માર્ગવાળાને ઘાણીએ પીલે તોય કોઈ આત્મા ના છોડે. તિતિક્ષા એ જૈનોનો શબ્દ નથી, એ વેદાંતીઓનો શબ્દ છે. કેળવાય મનોબળ, તિતિક્ષાથીપ્રશ્નકર્તા : આ તિતિક્ષાને અમારે કેળવવી પડશે ને ? દાદાશ્રી : હવે એ ગુણ ડેવલપ કરવા જાય ત્યારે આત્મા ખોઈ નાખે. માટે તમારે જવાનો વખત આવે તોય આત્માને ના છોડશો, એટલું એક મહીં રાખજો. દેહ છૂટી જશે, તો દેહ તો ફરી મળશે, પણ આત્મા ફરી મળવાનો નથી. પ્રશ્નકર્તા : જેમ જેમ કાળ બદલાતો જાય તેમ તેમ દુઃખ સહન કરવાની શક્તિ પણ ઘટતી જાય ને ? દાદાશ્રી : એવું નથી. દુઃખ તો કાળને અડે નહીં. એ તો મનોબળ જોઈએ. અમને જોવાથી બહુ મનોબળ ઉત્પન્ન થાય ને મનોબળ હોય તો જ કામ ચાલે. ગમે તેવાં દુઃખ હોય તોય મનોબળવાળો માણસ તેને પસાર કરી નાખે. ‘હવે, મારું શું થશે?’ એવું એ ના બોલે. સ્મશાનમાં જાય ને ત્યાં ભડકો દેખે તો આ લોક ફફડી જાય. તેમાં ત્યાં કંઈ ખઈ જવાનો છે કોઈ ? અલ્યા, કંઈ આત્માને ખઈ જવાનો છે ? ખઈ જશે તો દેહને ખઈ જશે. ત્યાં સ્મશાનમાં કશું નથી. ખાલી આપણી મનની નબળાઈઓ છે. હા, બે દહાડા પ્રેકટીસ લેવી પડે. બાકી આમની આવી તેવી પરીક્ષા ના કરાય. તે પછી તાવ ઊતરે જ નહીં. ડૉકટરોથીય ના ઊતરે. આને ભડકનો તાવ કહેવાય. ભડકનો તાવ તો અમે બહુ વિધિઓ કરીએ ત્યારે ઊતરે. એના કરતાં સૂઈ રહેજોને ઘેર છાનામાના, દેખ લેંગે આગળ. (પા. ૨૩૦)આ વેદાંતીઓએ તિતિક્ષા ગુણ કેળવવાનું કહેલું, જૈનોએ બાવીસ પરિષહ સહન કરવાના કહેલા. ભૂખ ઉત્પન્ન થાય, તરસ ઉત્પન્ન થાય, મહીં કકળે એ રીતે ઉત્પન્ન થાય, એ બધું સમતાભાવે સહન કરવાનું શીખો. તરસ તો આ લોકોએ જોયેલી જ નહીં. જંગલમાં ગયા હોઈએ ને પાણી ના મળે, એનું નામ તરસ. એ ભૂખ-તરસ અમે જોયેલી. કોન્ટ્રાક્ટનાં કામમાં જંગલોમાં ને બધે ગયેલા ત્યારે જોયેલી. પછી હિમ પડે એવી ટાઢ સહન ના થાય, સતત તડકો પડે, આ શહેરમાં પડે છે એવો નહીં. બોમ્બ પડતા હોય ત્યારે મનોબળની ખબર પડે ! મનોબળવાળાને જુઓ તો મનોબળ ઉત્પન્ન થાય. પણ જગતે, જીવે મનોબળ જોયું નથી ! અમારામાં તો ગજબનું મનોબળ હોય. પણ તે જો જો કરે ને, એ જેટલું જુએ એટલી શક્તિ એનામાં આવે. હું તે રૂપ થઈ ગયો છું અને તમે ધીમે ધીમે તે રૂપ થઈ રહ્યા છો. તે એક દહાડો તે રૂપ થઈ જશો. પણ તમને રસ્તો ટૂંકો મળી ગયો છે અને મારે તો રસ્તો બહુ લાંબો મળ્યો હતો. હું ત્યાગ ને તિતિક્ષા કરી કરીને આવ્યો છું. તિતિક્ષા તો પાર વગરની કરેલી. એક દહાડો શેતરંજી પર સૂઈ જવાનું, એક દહાડો બે ગોદડાં પર સૂઈ જવાનું. જો શેતરંજી પર ટેવ પડી જાય તો બે ગોદડાંમાં ઊંઘ ના આવે અને ગોદડાંમાં ટેવ પડી જાય તો શેતરંજી પર ઊંઘ ના આવે ! પ્રશ્નકર્તા : અમારે પણ તમારી જેમ ત્યાગ ને તિતિક્ષામાંથી નીકળી જવાનું રહ્યું ? દાદાશ્રી : નહીં, તમારે એવું કશું રહ્યું નહીં ને ! તમને તો એમ ને એમ ‘ફ્રી ઓફ કોસ્ટ’ મળ્યું. એટલે તમારે તો ગાડું ચાલ્યા કરે. તમારી પુણ્યૈ તો ભારે ને ! ઉપવાસ-ઊણોદરી માત્ર ‘જાગૃતિ’ હેતુએમેં આખી જિંદગી એકુંય ઉપવાસ નથી કર્યો ! હા, ચોવીયાર કરેલા, બાકી કશું કરેલું નહીં. મારે પિત્તની પ્રકૃતિ, તે એક ઉપવાસ થાય નહીં. આપણે હવે આની જરૂર શી છે તે ? આપણે આત્મા થઈ ગયા !! હવે આ બધું પરાયું, પારકા દેશનું અને ફોરેન ડીપાર્ટમેન્ટમાં આપણે શી (પા. ૨૩૧)ભાંજગડ આટલી બધી ? આ તો જેને બ્રહ્મચર્ય વ્રત લેવાનું છે, તેમને આ ભાંજગડો કરવાની. નહીં તો આપણા ‘પાંચ વાક્યો’માં તો બધું આવી જાય છે. આ પાંચ વાક્યો એવાં છે કે એનાથી નિરંતર સંયમ પરિણામ રહે. લોકો જે સંયમ રાખે છે, એ સંયમ જ ના ગણાય. એને વ્યવહાર સંયમ કહેવાય, કે જેને વ્યવહારમાં લોકો દેખી શકે એવો હોય છે ! જ્યારે આપણો તો સાચો સંયમ છે. પણ લોક તમને સંયમ છે એવું ના કહે. કારણ કે તમારે નિશ્ચય સંયમ છે. નિશ્ચય સંયમ એ મોક્ષનું કારણ છે અને વ્યવહાર સંયમ એ સંસારનું કારણ છે, સંસારમાં ઊંચી પુણ્યૈ બંધાવે. આપણને ઉપવાસની જરૂર નથી, પણ ‘આપણું જ્ઞાન’ એવું છે કે ઉપવાસમાં બહુ જાગૃતિ રહે. સારો કાળ હોય ને ઉપવાસ હોય તો કેવળજ્ઞાન થઈ જાય !! પણ આ કાળ જ એવો નથી ને !!! ઉપવાસમાં શું થાય ? આ દેહમાં જે જામી ગયેલો કચરો હોય, તે બળી જાય. ઉપવાસને દહાડે વાણીની બહુ છૂટ ના હોય તો વાણીનો કચરો બળી જાય અને મન તો આખો દહાડો સુંદર પ્રતિક્રમણ કર્યા કરતું હોય, જાતજાતનું કર્યા કરતું હોય એટલે બીજો બધો કચરો પણ બળ્યા જ કરે. એટલે ઉપવાસ બહુ જ કામ લાગે. અઠવાડિયામાં એક દિવસ, રવિવારે ઉપવાસ કરવો. પછી બે દહાડા સાથે ના કરવા, નહીં તો કંઈક રોગ પેસી જાય. ઉપવાસ કરો, તે દહાડે તો બહુ સારો આનંદ થાય ને ?! પ્રશ્નકર્તા : ઉપવાસ કર્યો હોય, એ રાત્રે જુદી જ જાતનો આનંદ લાગે છે, એનું શું કારણ ? દાદાશ્રી : બહારનું સુખ ના લે એટલે અંદરનું સુખ ઉત્પન્ન થાય જ. આ બહારનું સુખ લે છે એટલે અંદરનું સુખ બહાર પ્રગટ થતું નથી. પ્રશ્નકર્તા : આ ખાવામાંથી સુખ જાય, તે પછી બીજા બધામાં ફિક્કું જ લાગે. દાદાશ્રી : બીજામાં પછી રહ્યું જ શું તે ? બધી જીભની જ ભાંજગડ છે ને ?! જીભની ને આ સ્ત્રી પરિગ્રહ, બે જ ભાંજગડ છે ને ? બીજી (પા. ૨૩૨)કોઈ ભાંજગડ જ નહીં ને ?! કાન તો સાંભળ્યું તોય શું ને ના સાંભળ્યું તોય શું ? આંખે જોવાનું લોકોને બહુ ગમે, પણ તે તમને બહુ રહ્યું નથી. આંખના વિષય રહ્યા નહીં ને ? સિનેમા જોવા નથી જતા ને ? જ્ઞાનીઓએ નવાજ્યાં ઊણોદરી તપઅમે ઊણોદરી તપ ઠેઠ સુધી રાખેલું ! બેઉ ટાઈમ જરૂરિયાત કરતાં ઓછું જ ખાવાનું, કાયમને માટે ! ઊણું જ ખાવાનું એટલે મહીં જાગૃતિ નિરંતર રહે. ઊણોદરી તપ એટલે શું કે રોજ ચાર રોટલી ખાતા હોય તો પછી બે કરી નાખે, એનું નામ ઊણોદરી તપ કહેવાય. એવું છે ને, આત્મા આહારી નથી, પણ આ દેહ છે, પુદ્ગલ છે, એ આહારી છે અને દેહ જો ભેંસ જેવો થઈ જાય, પુદ્ગલશક્તિ જો વધી જાય તો આત્માને નિર્બળ કરી નાખે છે. પ્રશ્નકર્તા : ઊણોદરી કરવાનું જ્યારે મન બહુ થાય છે ત્યારે જ વધારે ખવાઈ જાય છે ! દાદાશ્રી : ઊણોદરી તો કાયમનું રાખવું જોઈએ. ઊણોદરી વગર તો જ્ઞાન-જાગૃતિ રહે નહીં. આ જે ખોરાક છે, તે પોતે જ દારૂ છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ, તેનો મહીં દારૂ થાય છે. પછી આખો દહાડો દારૂનો કેફ રહ્યા કરે અને કેફ રહે એટલે જાગૃતિ બંધ થઈ જાય. પ્રશ્નકર્તા : ઊણોદરી અને બ્રહ્મચર્યને કેટલું કનેક્શન ? દાદાશ્રી : ઊણોદરીથી તો આપણને જાગૃતિ વધારે રહે. એથી બ્રહ્મચર્ય રહે જ ને !! ઉપવાસ કરવા કરતાં ઊણોદરી સારું, પણ આપણે ‘ઊણોદરી રાખવું જોઈએ’ એવો ભાવ રાખવો અને ખોરાક બહુ ચાવીને જમવું. પેલા બે લાડવા ખાતા હોય તો તમારે એટલા ટાઈમમાં એક લાડવો ખાવો. એટલે ટાઈમ સરખો જ લે, પણ ખવાય ઓછું. મેં ખાધું એવું રહે અને ઊણોદરીનો લાભ મળે. બહુ ટાઈમ ચાવે તો લાભ બહુ સારો રહે. પ્રશ્નકર્તા : આ ઊણોદરી કરીએ છીએ, તો જમી લીધા પછી બે- (પા. ૨૩૩)ત્રણ કલાકમાં મહીં ખાવાની ઇચ્છા થયા કરે છે. પછી એવું થાય અંદર કશુંક નાખીએ, જે મળે એ. દાદાશ્રી : તે એકલો પડે કે ફાકો મારે પછી. એ જ જોવાનું છે ને (!) અહીં ગમે તેટલું પડ્યું હોય તોય પણ એકલો પડે તોય અડે નહીં, એવું હોવું જોઈએ ! ટાઈમે જ ખાવાનું, એ સિવાય બીજું કંઈ પણ વચ્ચે અડવાનું ના હોય. ટાઈમ વગર જે ખાય છે, એનો અર્થ જ નહીં ને ! એ બધું મિનિંગલેસ છે. એનાથી તો જીભ પણ બહેલાય, પછી શું રહ્યું ? નાદારી નીકળે ! અમારે તો બધી વસ્તુ આમ પડી હોય તો પણ અમે અડીએ નહીં, કશું ના અડીએ ! આ તો અડ્યા ને મોઢામાં નાખ્યું એટલે પછી ઓટોમેટિક ચાલુ થઈ જશે, જો અડશો ને તોય ! તમારે તો એટલું નક્કી કરવાનું કે આપણે અડવું નથી, તો ગાડું રાગે ચાલે. નહીં તો પુદ્ગલનો સ્વભાવ એવો છે કે આમ જમવા બેસાડે ને, તો ભાતને જરા મોડું થયું હોય તો લોક દાળમાં હાથ ઘાલે, શાકમાં હાથ ઘાલે ને ખા, ખા કર્યા કરે. જાણે મોટી ઘંટી હોય ને, તેમ મહીં નાખ, નાખ કરે. અલ્યા, ભાત આવતાં સુધી બેસી રહેને છાનોમાનો, પણ બેસાય નહીં ને ! દાળમાં હાથ ઘાલે ને ના હોય તો છેવટે ચટણી જરા જીભે ચોપડ ચોપડ કરશે. મોટા મિલવાળા હઉ ! આ પુદ્ગલનો સ્વભાવ બળ્યો એવો છે ! એમાં આ લોકોનો કંઈ દોષ નથી. હું હઉ દાળમાં હાથ ઘાલ, ઘાલ કરુંને ! પ્રશ્નકર્તા : એટલે આપણે એમાં નક્કી જ કરવાનું એમ ? દાદાશ્રી : એમાં જો અડ્યા તો પછી એ વધતું જાય. એટલે આપણે નક્કી કરી નાખીએ કે આટલું જ પ્રમાણ આખા દિવસમાં લેવું. તો પછી ગાડું નિયમમાં ચાલે અને વચ્ચેનો આટલો વખત મોઢામાં કશું મૂકવું જ નહીં. આ લોકો બધા પાન શા હારું ચાવતા હશે ? મોઢામાં કંઈક મૂકવું એવી ટેવ, તે પછી પાન ચાવે. કંઈ પણ મોઢામાં ઘાલે ત્યારે એને મજા પડે. કંઈ પણ મોઢામાં હાલવું જોઈએ. એટલે આવું ગમે ત્યારે ખાવ, એ તો બહુ ખોટું કહેવાય. વચ્ચે ના ખવાય પછી. ખાધા પછી કશું જ નાખવું ના જોઈએ. (પા. ૨૩૪)ઊણોદરી એટલે આપણને પ્રમાણ સમજાય કે આજે ભૂખ બહુ લાગી છે એટલે ત્રણ લાડુ ખવાઈ જશે. એટલે એક લાડુ ઓછો કરી નાખવો. કો’ક વખત બે લાડુ ખવાશે એવું માલમ પડે તો તે ઘડીએ સવા લાડવો ખાવો. પ્રમાણ આપણને સમજાય તેનાથી આપણે ઓછું કરી નાખવું, ઊણું કરી નાંખવું, નહીં તો આખો દિવસ ડોઝીંગ રહેશે. મૂળ તો, જગતના લોકો, એક તો ઉઘાડી આંખે ઊંઘે છે અને પછી આ પાછું ડોઝીંગ થાય. જાગૃતિ અને આને, આ બેને મેળ શી રીતે ખાય ? માટે ઊણોદરી જેવું કોઈ તપ નથી. ભગવાને બહુ સુંદરમાં સુંદર રસ્તો બતાવ્યો છે કે ઊણું રાખજો. કોઈ આઠ લાડવા ખાતો હોય તો એણે પાંચ લાડવા ખાવા જોઈએ. રોજ એક લાડવો ખાતો હોય તો એ કહેશે, ‘હું તો એક જ લાડવો ખાઉં છું.’ તોય ના ચાલે. એણે પોણો લાડવો ખાવાનો. એટલે વીતરાગોએ બહુ ડહાપણપૂર્વક એક એક વાક્ય કહેલું કે જે જગતને હિતકારી થઈ પડે ! આહાર જાગૃતિએ રક્ષી લેવાં વ્રતપ્રશ્નકર્તા : ખોરાક અને જ્ઞાનને શું લેવાદેવા ? દાદાશ્રી : ખોરાક ઓછો હોય તો જાગૃતિ રહે, નહીં તો જાગૃતિ રહે જ નહીં ને ! પ્રશ્નકર્તા : ખોરાકથી જ્ઞાનને કેટલો બાધ આવે ? દાદાશ્રી : બહુ બાધ આવે. ખોરાક બહુ બાધક છે. કારણ કે આ ખોરાક જે પેટમાં જાય છે, તેનો પછી દારૂ થાય છે ને આખો દહાડો પછી દારૂનો કેફ, મેણો ને મેણો ચઢ્યા કરે છે. નહીં તો આ પાંચ આજ્ઞાઓ મેં આપી છે, તેની જાગૃતિ કેમ ના રહે ? એમાં શું બહુ મોટી વાત છે ? અને જાગૃતિ પણ બધાને આપેલી જ છે ને ?! પણ આ ખોરાકની બહુ અસર થાય છે. આપણે હવે ખોરાકનો ત્યાગ કરવાનો કહ્યો નથી. એની મેળે જો ત્યાગ થઈ જાય તો ખરું. જેને સંયમ લેવો છે, સંયમ એટલે કે બ્રહ્મચર્ય પાળવું છે તે ખોરાક વધારે લે તો તેને પોતાને અવળી ‘ઈફેક્ટ’ થાય. પછી એને એ અવળી ‘ઈફેક્ટ’નાં રીઝલ્ટ ભોગવવાં પડે. જેને (પા. ૨૩૫)બ્રહ્મચર્ય પાળવું છે, તેણે ખ્યાલ રાખવો કે અમુક ખોરાકથી ઉત્તેજના વધી જાય છે. તે ખોરાક ઓછો કરી નાખવો. ચરબીવાળા ખોરાક જેવા કે ઘી- તેલ ના લેવાય, દૂધેય જરા ઓછું લેવું, પણ દાળ-ભાત-શાક-રોટલી એ બધું નિરાંતે ખાવ અને તે ખોરાકનું પ્રમાણ ઓછું રાખવું. દબાણપૂર્વક ખાવું નહીં. એટલે ખોરાક કેટલો લેવો જોઈએ કે આમ મેણો ના ચઢે અને રાતે ત્રણ-ચાર કલાક જ ઊંઘ આવે એટલો ખોરાક લેવો જોઈએ. પ્રશ્નકર્તા : આ સાયન્ટિસ્ટો કહે છે કે છ કલાકની ઊંઘ હોવી જોઈએ. દાદાશ્રી : તો આ ગાય-ભેંસને પૂછી આવ કે તમે કેટલી વાર ઊંઘો છો ? આ મરઘાને પૂછી આવ કે કેટલી વાર ઊંઘે છે ? બ્રહ્મચારીને ઊંઘવાનું તો ના હોય ! ઊંઘવાનું તો હોતું હશે ? ઊંઘવાનું તો આ જે મહેનત કરનારાઓ છે, એ છ કલાક ઊંઘે. એમને ઘસઘસાટ ઊંઘ પણ આવે ! ઊંઘ તો કેવી હોવી જોઈએ કે આ ટ્રેનમાં બેસીને જઈએ છીએ ત્યારે પાંચ-દસ ઝોકાં આવી જાય કે બસ પતી ગયું, પછી સવાર થઈ જાય. આ તો બધો ખાધેલાનો મેણો ચઢે છે, તે પછી ઊંઘે પણ ! ખોરાકમાં ઘી-ખાંડ કરાવે વિષયકાંડખોરાકેય બહુ ઓછો ના કરી નાખવો. કારણ કે ખોરાક ઓછો ખાવ એટલે જ્ઞાનરસ આંખને લાઈટ આપે છે, એ જ્ઞાનરસ આ તંતુઓમાંથી જતો હોય, તે રસ પછી મહીં ના જાય ને નસો બધું સૂકાઈ જાય. જુવાની છે એટલે આમ ભડકના માર્યા ખોરાક એકદમ બંધ નહીં કરી દેવાનો. દાળ-ભાત એ બધું ખાવ, એ તો જલ્દી પચી જાય એવો ખોરાક ! અને પચીને પછી જે લોહી થાય ને એ લોહી જ વપરાશમાં આવે, રોજ કામમાં આવી જાય એટલું જ લોહી થયા કરે. એટલે આગળનું પ્રોડક્શન બધું હતું ને, તે જૂજ થયા કરે ! પ્રશ્નકર્તા : ચોખ્ખું ઘી હોય તો શું ખોટું ? દાદાશ્રી : ઘી હંમેશા માંસ વધારનારું છે અને માંસ વધે એટલે વીર્ય વધે, એ બ્રહ્મચારીઓની લાઈન જ ન હોય ને ! એટલે તમે જે ખોરાક (પા. ૨૩૬)ખાવ, તે દાળ-ભાત-કઢી એકલાં ખાવ. તોય ખોરાકનો સ્વભાવ એવો છે કે ઘી વગરેય એનું લોહી થાય અને તે હેલ્પીંગ થાય. કારણ કે કુદરતે એવો નિયમ રાખ્યો છે કે ગરીબ માણસ હોય, તે આવું બધું શું ખાશે ? તે ગરીબ માણસ જે ખાય છે, તેય બધી એને શક્તિ મળી રહે છે ને ! એવી રીતે આપણને આ સાદા ખોરાકથી બધી શક્તિ મળી રહે ! પણ જે વિકારી છે, એ ખોરાક ના હોવો જોઈએ. આ હોટલનું ખાઈએ, એનાથી શરીરમાં ખરાબ પરમાણુ પેસે. તે પછી એની અસર આવ્યા વગર રહે જ નહીં. એને માટે પછી ઉપવાસ કરવો પડે અને જાગૃતિ રાખવી. છતાંય સંજોગવશાત્ બહારનું ખાવું પડે તો ખાઈ લેવું, પણ તેમાં પછી લાભાલાભ જોવો. તળેલાં ભજિયાં ખાવા કરતાં દૂધ પી લેવું સારું. બહારના પૂરી-શાક કરતાં ઘરની ખીચડી પસંદ કરવી ! આવડાં નાનાં નાનાં છોકરાંને મગસ ને ગુંદરપાકને એ બધું ખવડાવે છે, તે પછી એની અસરો બહુ ખરાબ પડે છે, એ બહુ વિકારી થઈ જાય છે. એટલે નાના છોકરાને બહુ ના આપવું જોઈએ, એનું પ્રમાણ સચવાવું જોઈએ. આ માલમલિદા ખાવાનું એ બધું સંસારીઓ માટે છે કે જેને બ્રહ્મચર્યની કંઈ પડી નથી. જેને બ્રહ્મચર્ય પાળવું છે, તેનાથી તો માલમલિદો ના ખવાય. અને ખાવો જ હોય તો થોડો ખાવો કે જેને ભૂખ જ ખઈ જાય. માલમલિદો ખઈએ તો પાછું જોડે દાળ-ભાત જોઈએ, શાક જોઈએ એટલે પછી ભૂખ ખઈ ના જાય. આ ખરાબ વિકારો આવવાનું કારણ જ આ છે, તેનાથી વિકારીભાવ ઉત્પન્ન થાય. ભૂખ ખઈ જાય ત્યાં સુધી વિકારીભાવ ઉત્પન્ન ના થાય. ભૂખ ના ખાય, ત્યારે પ્રમાદ થાય. પ્રમાદ થાય એટલે વિકાર થાય. પ્રમાદ એટલે આળસ નહીં, પણ વિકાર ! પુદ્ગલ હેરાન કરે એવી વસ્તુ છે, એ આપણો પાડોશી છે. પુદ્ગલ વીર્યવાન હોય ત્યારે હેરાન ના કરે. અગર તો બિલકુલેય આહાર ઓછો લે, જીવવા પૂરતો જ આહાર લે ત્યારે પુદ્ગલ હેરાન ના કરે. ખોરાકથી તો બ્રહ્મચર્ય અટક્યું છે. ખોરાકની બાબતમાં જાગૃત રહેવું જોઈએ. આ તો દિવડો સળગે એટલું જ ખાવાનું હોય. ખોરાક તો એવો લેવો જોઈએ (પા. ૨૩૭)કે મેણો જ ના ચઢે. અને ઊંઘ એવી હોવી જોઈએ કે ભીડમાં બેઠાં હોય પછી આમ ખસાય નહીં, તેમ ખસાય નહીં, એવી ભીડમાં બેઠાં બેઠાં ઊંઘ આવી જાય તે જ ખરી ઊંઘ. આ તો ખોરાકનો મેણો ચઢે છે, તેની પછી ઊંઘ આવે છે. આ ખાધા પછી વિધિ કરો જોઈએ, સામાયિક કરો જોઈએ, થાય છે ? બરોબર ના થાય. નહાવાનુંય નોતરે નુકસાનઆ નહાવાથી બધા વિષયો જાગૃત થઈ જાય છે. આ નહાવા- ધોવાનું શેને માટે છે ? વિષયી લોકો માટે જ નહાવાની જરૂર છે, બાકી તો જરા કપડું ભીનું કરીને આમ લૂછી નાખવાનું. જે બીજો ખોરાક ખાતો નથી, તેનું શરીર કશું જ ગંધાય નહીં. એક મહિનાથી સિકનેસ હોય પછી વિકાર હોય છે ? પ્રશ્નકર્તા : તો ન હોય. દાદાશ્રી : ત્યારે એ સિકનેસ લાવવી. પ્રશ્નકર્તા : લાવવી આપણાં હાથની વાત નથી ને ! દાદાશ્રી : ત્યારે શું આપણાં હાથની વાત ? તો ભૂખ્યા રહે ચાર દહાડા એટલે એની મેળે વીસ દહાડાની સિકનેસ આવે ! ચાર દહાડા ભૂખ્યો રહે પછી વિકાર ના હોય. ખોરાક ઓછો લેવાય એટલે ચાલ્યું. જીવવા માટે ખાય, ખાવા માટે જીવે નહીં. પહેલાં રાત્રે નહોતો ખાતો તે, તે દહાડે સારું રહેતું’તું કે અત્યારે સારું રહે છે ? પ્રશ્નકર્તા : પહેલા બહુ સારું રહેતું’તું. દાદાશ્રી : તે જાણી-જોઈને બગાડ્યું શું કરવા ? પ્રશ્નકર્તા : ખાધા પછી બે-ચાર કલાકે પછી ભૂખ લાગે તો બીજું બધું માંગે ! (પા. ૨૩૮)દાદાશ્રી : પણ તે ખોરાક એવો લેવો કે ભૂખ લાગે નહીં, એવો શુષ્ક આહાર કે જેમાં દૂધ-ઘી-તેલ એવું બધું બહુ પુષ્ટિકારક ખોરાક બહુ ના આવે. આ દાળ-ભાત-કઢી ખાવું, એ બહુ પુષ્ટિકારક ના હોય. આ કાળમાં તો કંટ્રોલ કરાય એવાં સંજોગો જ નથી ! દબાણ કરવા જાય તો ઊલટું મન વધારે કૂદાકૂદ કરે. એટલે આહારી આહાર કરે છે એમ જવા દેવું, પણ તે પાછું તમને બ્રહ્મચર્યમાં નુકસાન ના કરે એટલું જરા જોવું ! ખોરાકને માટે તમારે કંટ્રોલ કે ના કંટ્રોલ એવું અમારે કશું કહેવાની જરૂર નહીં. ફક્ત જો કદી વિષય મૂંઝવતા હોય, ઉદયકર્મનો ધક્કો વધારે લાગતો હોય તો એણે ખોરાક પર કંટ્રોલ મૂકવો જોઈએ. પુરુષાર્થ એટલે બીજું તો શું કે તમારે ચંદ્રેશને કહેવું પડે. તમારે ચંદ્રેશ જોડે જુદાપણું રાખી વાતચીત થાય. કારણ કે આત્મા તો કશું બોલતો જ નથી, પણ મહીં જે પ્રજ્ઞા નામની શક્તિ છે, તે કહે છે કે જરાક ખોરાક ઓછો લેશો તો તમને ઠીક અનુકૂળ રહેશે. કારણ કે અહંકાર કરવા જાય તો તો અહંકાર જીવતો થાય. આ જ્ઞાન આપ્યું છે તેથી અહંકાર નિર્જીવ થયો છે. ‘વધારે પડતું ખાવું નથી’ એવું નક્કી કર્યા પછી ભૂલથી ખવાઈ જાય, તો તેને ‘વ્યવસ્થિત’ છે કહેવું. જીવવાનું, ધ્યેય પ્રમાણેપ્રશ્નકર્તા : દરેક કાર્યમાં નક્કી કરવું પડે. આમ ‘વધારે ખાવું નથી’ એ નક્કી કર્યું, પછી જાગૃતિ રાખી, એવી દરેક કાર્યમાં જાગૃતિ રાખવી પડે. દાદાશ્રી : એ ઉપયોગ રાખ્યો, એ જ જાગૃતિ ! પ્રમાદ એટલે ખોરાક ખા ખા કર્યા કરવું. એટલે પછી બધામાં ઠેકાણું જ ના હોય. આખો દહાડો જે આવે એ ઠોક ઠોક કરે. હું તો કેટલાંય વર્ષોથી નાછૂટકે ખઉં છું. અને માણસ માંદો હોય, ત્રણ દહાડાનો, એને વિષય માટે કહે કે પચાસ હજાર રૂપિયા આપીશ તો કરે ? પ્રશ્નકર્તા : ના કરે, શક્તિ ના હોય ને ! (પા. ૨૩૯)દાદાશ્રી : આ બધું શક્તિ કરે છે, ખોરાક જ કરે છે આ બધું. પ્રશ્નકર્તા : પૌદ્ગલિક શક્તિ. દાદાશ્રી : હં. આપણે બે-ત્રણ દહાડા ખાધા વગર કાઢી નાખવા. સાધુ એવી જ રીતે કાઢે ને ? આ ઉપાય ! શક્તિ હોય તો વિષય કરે ને ? ઉપાય તો કરવો પડે ને ? એટલે મહિનામાં બે વખત ભૂખ્યા રહેવાનું. બબ્બે-બબ્બે દહાડા. એટલું તપ કરે એટલે પેલું તપ થઈ જાય. મહાવીર ભગવાને આજ કરેલું ને ! બધાએ આજ કરેલું ને ! પ્રશ્નકર્તા : આ નક્કીપણાને, ટકાવી રાખવા માટે કોઈ ઉપાય નથી થતા. દાદાશ્રી : આ ઉપાય. પ્રશ્નકર્તા : આપ કહો છો, તોય માનસિક તૈયારી નથી થતી અંદરથી. દાદાશ્રી : તો પછી અમે ક્યાં ના કહ્યું છે પૈણવાનું ? પ્રશ્નકર્તા : આપે તો કહ્યું નથી પણ અમે જોયું છેને ! આવું પ્રાપ્ત થયા પછી તો હવે ભૂલ ના જ કરાય. દાદાશ્રી : તો પછી ડિસાઈડ કર્યા પછી કશું અડે નહીં ! ડિસીઝન કર્યું અને આપણે એવું ઢીલું બોલીએ તો ઊલટું ચડી બેસે. ‘ગેટ આઉટ’ કહીએ. તો થોડોઘણો બહાર નાસી જાય. પછી પાછો ભેગો થઈને આવે. તો ફરી ‘ગેટ આઉટ’ કહીએ. કંદમૂળ પોષે વિષયનેદેખાદેખીનું બ્રહ્મચર્ય વ્રત ટકે નહીં. એટલે પછી જે કરવું હોય તે કરે. પણ હું તો ચેતવણી આપું કે બ્રહ્મચર્ય પાળવું હોય તો કંદમૂળ ન ખવાય. (પા. ૨૪૦)પ્રશ્નકર્તા : કંદમૂળ ન ખવાય ? દાદાશ્રી : કંદમૂળ ખાવું ને બ્રહ્મચર્ય પાળવું, એ રોંગ ફિલોસોફી છે, વિરોધી છે. પ્રશ્નકર્તા : કંદમૂળ નહીં ખાવાનું, જીવહિંસાને લીધે કે બીજું કોઈ કારણ છે ? દાદાશ્રી : એ કંદમૂળ તો અબ્રહ્મચર્યને જબરજસ્ત પુષ્ટિ આપનારું છે. આવાં નિયમો કરવા પડે કે જેથી એનું આ કેમ બ્રહ્મચર્ય રહે-ટકે. અને બ્રહ્મચર્ય ટકે એવો એનો સુંદર ખોરાક હોય. અબ્રહ્મચર્યથી બધી રમણીયતા જતી રહે છે અને બ્રહ્મચર્ય પાળે, તે રમણીય થાય. માણસ પ્રભાવશાળી દેખાય. પ્રશ્નકર્તા : અત્યાર સુધી અમે કંદમૂળ ન્હોતા ખાતાં. જ્ઞાન લીધા પછી ખાવાનું શરૂ કર્યું, તો બાધારૂપ ના લાગે ? દોષ ના લાગે ? દાદાશ્રી : કોને દોષ લાગે એમાં ? એ ડિસ્ચાર્જમાં શાનો દોષ ? આપણે આ બ્રહ્મચારીઓને દોષ લાગવા માટે નહીં, એમને તો એ ન ખાય ને, તો એ પેલું વિષયનું જોર ઓછું થઈ જાય. એમને તો એ રક્ષણ માટે કરવાનું હોય. દોષને ને આને લેવાદેવા નથી. પ્રશ્નકર્તા : આ જે વર્ણન કર્યું છે કે સોયની અણી ઉપર બટાકાનું એ માપનું એક પીસ આવે, તો અનંતા જીવો હોય છે. એ જીવોને... દાદાશ્રી : એ બધું કોને માટે છે ? જેને બુદ્ધિ વધારવી હોય ને, તેને માટે. એમાં આગ્રહી થાય, તે ક્યારે દહાડો વળે ?! અને આ મોક્ષનો માર્ગ નિરાગ્રહી છે, આ જાણવાનું ખરું અને બને એટલું ઓછું કરી દેવાનું. (પા. ૨૪૧)[13] ન હો અસાર, પુદ્ગલસારપુદ્ગલસાર છે બ્રહ્મચર્યબ્રહ્મચર્ય એ શું છે ? એ પુદ્ગલસાર છે. આપણે જે ખાવાનું ખઈએ-પીએ, એ બધાંનો સાર શું રહ્યો ? ‘બ્રહ્મચર્ય’! એ સાર જો તમને જતો રહે તો આત્માનો જે એને આધાર છે, તે આધાર ‘લૂઝ’ થઈ જાય ! એટલે બ્રહ્મચર્ય મુખ્ય વસ્તુ છે. એક બાજુ જ્ઞાન હોય ને બીજી બાજુ બ્રહ્મચર્ય હોય, તો સુખનો પાર જ નહીં ને ! પછી એવું ચેન્જ મારે કે ન પૂછો વાત ! કારણ કે બ્રહ્મચર્ય એ પુદ્ગલસાર છે ને ? આ બધું ખાય છે-પીવે છે, એનું શું થતું હશે પેટમાં ? પ્રશ્નકર્તા : લોહી થાય. દાદાશ્રી : અને સંડાસ નહીં થતું હોય ? પ્રશ્નકર્તા : થાય ને ! અમુક ખોરાકનું લોહી, અમુક સંડાસ વાટે કચરો બધો નીકળી જાય. દાદાશ્રી : હા, અને અમુક પાણી વાટે નીકળી જાય. આ લોહીનું પછી શું થાય ? પ્રશ્નકર્તા : લોહીનું વીર્ય થાય. દાદાશ્રી : એમ ! વીર્યને સમજું છું ? લોહીનું વીર્ય થાય, તે વીર્યનું પછી શું થાય ? લોહીની સાત ધાતુઓ કહે છે ને ? એમાંથી એકમાંથી હાડકાં થાય, એકમાંથી માંસ થાય, એમાંથી પછી છેવટે છેલ્લામાં છેલ્લું (પા. ૨૪૨)વીર્ય થાય. છેલ્લી દશા વીર્ય થાય. વીર્ય એ પુદ્ગલસાર કહેવાય. દૂધનો સાર એ ઘી કહેવાય, એવું આ ખોરાક ખાધાનો સાર વીર્ય કહેવાય. હવે એ સારને શું મફતમાં આપી દેવું જોઈએ કે બહુ મોંઘા ભાવથી વેચવું જોઈએ ? પ્રશ્નકર્તા : મોંઘા ભાવથી વેચવું જોઈએ. દાદાશ્રી : એમ ? લોક તો પૈસા ખર્ચીને વેચે છે ને તું કહે છે કે મોંઘા ભાવે વેચવું છે, તો મોંઘા ભાવે તારી પાસે કોણ લેશે ? લોકસાર એ મોક્ષ છે અને પુદ્ગલસાર એ વીર્ય છે. જગતની સર્વ ચીજો અધોગામી છે. વીર્ય એકલું જ જો ધારે તો ઊર્ધ્વગામી થઈ શકે. એટલે વીર્ય ઊર્ધ્વગામી થાય એવા ભાવ ભાવવા જોઈએ. વીર્યના બે ગમન છે. એક અધોગમન ને બીજું ઊર્ધ્વગમન. અધોગમન છે ત્યાં સુધી પાશવતા છે. પ્રશ્નકર્તા : આ જ્ઞાનમાં રહીએ તો એની મેળે ઊર્ધ્વગમન થાય જ ને ? દાદાશ્રી : હા, અને આ જ્ઞાન જ એવું છે કે આપણા જ્ઞાનમાં રહો તો કશો વાંધો નથી, પણ અજ્ઞાન ઊભું થાય ત્યારે મહીં આ રોગ ઊભો થાય. તે ઘડીએ જાગૃતિ રાખવી પડે. વિષયમાં તો પાર વગરની હિંસા છે, ખાવા-પીવામાં કંઈ એવી હિંસા નથી થતી. આ જગતમાં સાયન્ટિસ્ટો ને બધા લોકો કહે છે કે વીર્ય-રજ અધોગામી છે. પણ અજ્ઞાનતા છે, તેને લીધે અધોગામી છે. જ્ઞાનમાં તો ઊર્ધ્વગામી થાય છે. કારણ કે જ્ઞાનનો પ્રતાપ છે ને ! જ્ઞાન હોય તો કશો વિકાર જ ના થાય, ને ભલે પછી ગમે તેવી બોડી હોય, ગમે એટલું ખૂબ ખાતો હોય. એટલે મુખ્ય વસ્તુ જ્ઞાન છે. પ્રશ્નકર્તા : ઊર્ધ્વગામી અને અધોગામી, એ બન્ને ‘રિલેટિવ’ શબ્દો ના થયા ? દાદાશ્રી : હા, ‘રિલેટિવ’ જ કહેવાય. પણ ‘રિલેટિવ’માં આમ (પા. ૨૪૩)ફેરફાર થાય તો આપણને લાભ મળે ! તે આપણા ‘જ્ઞાનથી’ ફેરફાર થાય એવું છે. આપણે શું કહીએ છીએ કે આપણે જ્ઞાન પ્રગટ રાખીએ, તો બધો ફેરફાર એની મેળે થયા કરે. આપણું જ્ઞાન પ્રગટ નહીં રાખવાથી એ ફેરફાર થતો નથી. રિલેટિવમાં તો આપણે કશું કરી શકીએ તેમ નથી, પણ આપણે આપણામાં કરી શકીએ તેમ છીએ અને તેનો ફોટો ‘રિલેટિવ’ ઉપર છે. એટલે આપણે ખાલી જાગૃતિ જ રાખવાની છે. વીર્યના પરમાણુ સૂક્ષ્મરૂપે ઓજસમાં પરિણામ પામે છે, એને પછી નીચે ઉતરવાનું અધોગામી રહેતું નથી, આ મારો અનુભવ છે. એ શક્તિઓ જે ડાઉન થતી હતી તે ઉપર ચઢે છે. એ સંસારમાં ખાધું-પીધું, તે બધી જ શક્તિ બે રીતે પરિણામ પામે; એક સંસારરૂપે ને બીજું ઐશ્વર્યરૂપે ! અહો, અહો ! એ આત્મવીર્યવાળાનેપ્રશ્નકર્તા : આ જાગૃતિ વધતાં વધતાં અમુક લિમિટ સુધી આવ્યું એટલે આટલે સુધી આવીને અટકે. પણ બીજા કોઈ પ્રકારનું આમ વ્યવહારમાં રીવોલ્યુશન ખુલવાં જોઈએ, એ નથી ઊભું થતું. દાદાશ્રી : તારે વ્યવહારિક બહુ નહીં ને ! પણ હજુ એ શક્તિ હવે ઊભી થશે. આત્મવીર્ય જ નથી ને ! આત્મવીર્ય પ્રગટ થતું નથી. એવું છે ને, તારું મન આટલુંય વ્યવહાર સહન કરવાની શક્તિ ધરાવતું નથી એટલે ભાગે છે, ભાગીને એકાંતમાં પેસી જવા ફરે છે. પણ આ દર્શન પ્રગટ થયું એટલે ‘પોતાની’ ગુફામાં પેસી જતાં તને આવડ્યું, નહીં તો તો વેષ થઈ પડત ! પ્રશ્નકર્તા : આપે જે કહ્યું કે આત્મવીર્ય પ્રગટ નથી થયું. તો આત્મવીર્ય શેનાથી પ્રગટ થાય ? દાદાશ્રી : આત્મવીર્ય પ્રગટ થાય ત્યારે એ વાત જ જુદી છે ને ! પ્રશ્નકર્તા : એ શું કહેવાય ? આત્મવીર્ય પ્રગટ થાય એટલે એમાં શું હોય ? દાદાશ્રી : આત્માની શક્તિ બહુ વધે. (પા. ૨૪૪)પ્રશ્નકર્તા : તો આ જે દર્શન છે, જાગૃતિ છે, એ અને આત્મવીર્ય એ બેનું કનેકશન શું ? દાદાશ્રી : જાગૃતિ એ આત્મવીર્યમાં ગણાય. આત્મવીર્યનો અભાવ એટલે વ્યવહારનું સોલ્યુશન ના કરે, પણ વ્યવહાર ખસેડીને ઊંચો મૂકી દે. આત્મવીર્યવાળો તો કહેશે ગમે તે આવોને, એ ગૂંચાય નહીં. પણ હવે એ શક્તિઓ બધી ઉત્પન્ન થશે ! પ્રશ્નકર્તા : એ શક્તિઓ બ્રહ્મચર્યથી ઊભી થાય ? દાદાશ્રી : હા, બ્રહ્મચર્ય સારી રીતે પળાય ત્યારે અને સહેજ લીકેજ ના થવું જોઈએ. આ તો શું થયું છે કે વ્યવહાર શીખ્યા નથી અને એમને એમ આ બધું હાથમાં આવી ગયું છે ! વર્તે વીર્ય, જ્યાં જ્યાં રુચિજ્યાં રુચિ ત્યાં વીર્ય વર્તે આત્માનું. એટલે આ લોકોને રુચિ શેમાં ? આઈસ્ક્રીમમાં ખરી, પણ આત્મામાં નહીં. આ આત્મા માટે અહીં આવવું છે કે આઈસ્ક્રીમ માટે ? તો કહે, ‘આઈસ્ક્રીમ ખાવા !’ કેટલાં નીર્વીર્ય જીવો છે ! તને સમજાય આ વાત ? પેલો તો બહુ જબરો માણસ ! કોઈ પણ લાલચની વસ્તુથી લલચાય નહીં. આ દુનિયામાં કોઈ ચીજ લલચાઈ ના શકે, અને આને તો આઈસ્ક્રીમ લલચાવી જાય કોઈક વખત !! આ સંસાર ગમે નહીં, બહુ રૂપાળીમાં રૂપાળી ચીજ સ્હેજે ગમે નહીં. પેલું જ, આત્મા તરફ જ ગમ્યા કરે, ગમો બદલાઈ જાય. અને દેહવીર્ય પ્રગટ થાય ત્યારે પેલું આત્માનું ગમે નહીં. પ્રશ્નકર્તા : આત્મવીર્ય પ્રગટ થાવું કેવી રીતે બને ? દાદાશ્રી : નિશ્ચય કર્યો હોય ને અમારી આજ્ઞા પાળવાની, ત્યારથી ઊર્ધ્વગતિએ જાય. બે આંખો એ આંખો મળી, ત્યાં આકર્ષણ થયું, તેનું પ્રતિક્રમણ કર કર કરવાનું. એવું પચીસ કે પચાસ હોય, વધારે ના હોય. (પા. ૨૪૫)એનું પ્રતિક્રમણ કરીને છોડી નાખવું બધું. એ અતિક્રમણથી ઊભું થયું છે અને પ્રતિક્રમણથી બંધ થઈ જાય. વીર્યને એવી ટેવ નથી, અધોગતિમાં જવું. એ તો પોતાનો નિશ્ચય નહીં એટલે અધોગતિમાં જાય છે. નિશ્ચય કર્યો એટલે બીજી બાજુ વળે, અને પછી મોઢા પર બીજા બધાને તેજ દેખાતું થાય અને બ્રહ્મચર્ય પાળતાં મોઢા પર કંઈ અસર ના થઈ, તો ‘બ્રહ્મચર્ય પૂરું પાળ્યું નથી’ એમ કહેવાય. પ્રશ્નકર્તા : વીર્યનું ઊર્ધ્વગમન શરૂ થવાનું હોય તો એનાં લક્ષણો શું ? દાદાશ્રી : તેજી આવતી થાય, મનોબળ વધતું જાય, વાણી ફર્સ્ટ કલાસ નીકળે. વાણી મીઠાશવાળી હોય. વર્તન મીઠાશવાળું હોય. એ બધું એનું લક્ષણ હોય. એ તો વાર લાગે ઘણી, એમ ને એમ અત્યારે એ ના થાય. અત્યારે એકદમ ના થઈ જાય. ઉપાયો આદરવા, સ્વપ્નદોષ ટાળવાપ્રશ્નકર્તા : સ્ત્રીની બાબતમાં જે કંઈ સ્વપ્ના આવે, તે આપણને આ બ્રહ્મચર્યની ભાવનાના કારણે ગમતા ના હોયને ? તો એનો કંઈ ઉપાય ખરો ? દાદાશ્રી : સ્વપ્ના એ તો જુદી વસ્તુ છે. આપણને ગમતું હોય તો નુકસાન કરે ને ના ગમતું હોય તો કંઈ નુકસાન ન કરે. એ ગમે તે આવે, ગમતું હોય તો ફરી આપણે ત્યાં એવું ઊભું થાય અને ના ગમતું હોય તો કશી ભાંજગડ જ નથી. પ્રશ્નકર્તા : સ્વપ્નદોષ કેમ થતાં હશે ? દાદાશ્રી : ઉપર ટાંકી હોય પાણીની, તે પાણી નીચે પડવા માંડે એટલે ના સમજીએ કે ઉભરાઈ ! સ્વપ્નદોષ એટલે ઉભરાવું. ટાંકી ઉભરાઈ ! તે કો’ક ના રાખવો જોઈએ ? એટલે ખોરાક ઉપર કંટ્રોલ કરે તો સ્વપ્નદોષ ના થાય. તેથી આ (પા. ૨૪૬)મહારાજ આ એક વખત આહાર કરે છે ને ત્યાં ! બીજું કશું લેવાનું જ નહીં, ચા-બા કશું નહીં લેવાનું. પ્રશ્નકર્તા : એમાં રાત્રિનો ખોરાક મહત્વનો. રાત્રિનું ઓછું કરવું જોઈએ. દાદાશ્રી : રાતના ખોરાક જ ના જોઈએ, આ એક જ વખત મહારાજ આહાર લે છે. પણ ચાર રોટલી ખઈ જાય છે, આ એની ઉંમર તો ખરી ને ! બીજું ચા નહીં, બીજી કોઈ ભાંજગડ જ નહીંને ! આખો દહાડો એ ટાંકી ભરી લીધી. તે ટાંકી ભરી લીધી, તે પેટ્રોલ ચાલ્યા કરે. એટલે ડિસ્ચાર્જ તો આ ખાવાનું જો કંટ્રોલમાં હોય તો બીજું કશું ના થાય. આ તો ઠોકં-ઠોકા ખાવાનું રાખે છે. જે હોય તે અને અજુગતું વસ્તુ આહાર હોય, ત્યારે શું થાય ? જૈન તો કેવો ડાહ્યો ! આવા આહાર નહીં. એવું તેવું ના હોય કશું. છતાં ડિસ્ચાર્જ થાય એનો વાંધો નહીં. એ તો ભગવાને કહ્યું, વાંધો નહીં. એ ભરાય પછી બૂચ ખુલ્લો થઈ જાય. ઊર્ધ્વગમન થયું નથી બ્રહ્મચર્ય, ત્યાં સુધી અધોગમન જ થાય. ઊર્ધ્વગમન તો બ્રહ્મચર્ય લેવાની શરત કરી, ત્યારથી જ શરૂઆત થાય. ચેતીને આપણે ચાલવું સારું. મહિનામાં ચાર વખત થાય તોય વાંધો નહીં. આપણે જાણી-જોઈને ડિસ્ચાર્જ કરવું ના જોઈએ. એ ગુનો છે. એમ ને એમ થાય તેનો વાંધો નહીં. આ તો આ બધું આડા-અવળું ખાવાનું પરિણામ છે. જાણી-જોઈને ડિસ્ચાર્જ કરવું એ ભયંકર ગુનો. આપઘાત કહેવાય. આવી ડિસ્ચાર્જની કોણ છૂટ આપે ? પેલા ભઈ કહે છે, ડિસ્ચાર્જ યે ન થવો જોઈએ. ત્યારે શું મરી જઉં ? કૂવામાં પડું, કહીએ ? પ્રશ્નકર્તા : ડિસ્ચાર્જ થાય એટલે એ ગુનેગાર લેખાય, એનો મનમાં ક્ષોભ થાય. કારણ કે આ બધા એવી રીતે જ કહે ને કે ડિસ્ચાર્જ ન થવો જોઈએ. દાદાશ્રી : એ પેલા વિષય કરે, તેનાં કરતાં આ ડિસ્ચાર્જ બહુ સારું. પેલું બે જણને બગાડે, કૂતરા જેવું તો ન શોભે ! (પા. ૨૪૭)વીર્યશક્તિનું ઊર્ધ્વગમન ક્યારે ?પ્રશ્નકર્તા : વીર્યનું ગલન થાય છે એ પુદ્ગલ સ્વભાવમાં હોય કે કોઈ જગ્યાએ આપણી લીકેજ હોય છે એટલે થાય છે ? દાદાશ્રી : આપણે જોઈએ અને આપણી દ્રષ્ટિ બગડી, એટલે વીર્યનો અમુક ભાગ છે તે ‘એક્ઝોસ્ટ’ થઈ ગયો કહેવાય. પ્રશ્નકર્તા : એ તો વિચારોથી પણ થઈ જાય છે. દાદાશ્રી : વિચારોથી પણ ‘એક્ઝોસ્ટ’ થાય, દ્રષ્ટિથી પણ ‘એકઝોસ્ટ’ થાય. તે ‘એકઝોસ્ટ’ થયેલો માલ પછી ડિસ્ચાર્જ થયા કરે. પ્રશ્નકર્તા : પણ આ જે બ્રહ્મચારીઓ છે તેમને તો કંઈ એવા સંજોગો ના હોય, તેઓ સ્ત્રીઓથી દૂર રહે છે, ફોટા રાખતા નથી, કેલેન્ડર રાખતા નથી, છતાં એમને ડિસ્ચાર્જ થઈ જાય છે. તો એમનું સ્વાભાવિક ડિસ્ચાર્જ ના કહેવાય ? દાદાશ્રી : તો પણ એમને મનમાં આ બધું દેખાય છે. બીજું, એ ખોરાક બહુ ખાતો હોય અને એનું વીર્ય બહુ બનતું હોય, પછી એ પ્રવાહ વહી જાય એવુંય બને. પ્રશ્નકર્તા : રાત્રે વધારે ખવાય તો ખલાસ... દાદાશ્રી : રાત્રે વધારે ખવાય જ નહીં, ખાવું હોય તો બપોરે ખાવું. રાત્રે જો વધારે ખવાય તો તો વીર્યનું સ્ખલન થયા વગર રહે જ નહીં. વીર્યનું સ્ખલન કોને ના થાય ? જેનું વીર્ય બહુ મજબૂત થઈ ગયું હોય, બહુ ઘટ્ટ થઈ ગયેલું હોય, તેને ના થાય. આ તો બધાં પાતળાં થઈ ગયેલાં વીર્ય કહેવાય. પ્રશ્નકર્તા : મનોબળથી પણ એને અટકાવી શકાય ને ? દાદાશ્રી : મનોબળ તો બહુ કામ કરે ! મનોબળ જ કામ કરે ને ! પણ તે જ્ઞાનપૂર્વકનું હોવું જોઈએ. એમ ને એમ મનોબળ રહે નહીં ને ! (પા. ૨૪૮)પ્રશ્નકર્તા : સ્વપ્નમાં ડિસ્ચાર્જ જે થાય છે, એ પાછલી ખોટ છે ? દાદાશ્રી : એનો કોઈ સવાલ નથી. આ પાછલી ખોટો સ્વપ્નાવસ્થામાં બધી જતી રહે. સ્વપ્નાવસ્થા માટે આપણે ગુનેગાર ગણતા નથી. આપણે જાગૃત અવસ્થાને ગુનેગાર ગણીએ છીએ, ઉઘાડી આંખે જાગૃત અવસ્થા ! છતાં પણ સ્વપ્નાં આવે. માટે એને બિલકુલ કાઢી નાખવા જેવું નથી, ત્યાં ચેતતા રહેવું. સ્વપ્નાવસ્થા પછી સવારમાં પસ્તાવો કરવો પડે, એનું પ્રતિક્રમણ કરવું પડે કે આવું ના હો. આપણી પાંચ આજ્ઞા પાળે તો એમાં કોઈ દહાડો વિષય-વિકાર થાય એવું છે જ નહીં. જોખમો, હૃષ્ટપુષ્ટ શરીરનાંઆ વાંચ, આમાં શું લખ્યું છે ? પ્રશ્નકર્તા : મૈથુન સંજ્ઞા ચાર પ્રકારે જાગૃત થાય. (૧) વેદ મોહનીયના ઉદયથી. (૨) હાડ, માંસ, લોહી વગેરેથી શરીર પુષ્ટ થવાથી. (૩) સ્ત્રી નજરે જોવાથી. (૪) સ્ત્રીનું ચિંતવન કરવાથી ! વેદ મોહનીય ઉદયથી એટલે ? દાદાશ્રી : સ્ત્રીને સ્ત્રીવેદ હોય, પુરુષને પુરુષવેદ હોય, એ વેદ જ્યારે ઉદયમાં આવે ત્યારે તે બૂમ પડાવડાવે. તમારે અહીં ક્યાં આગળ ખાસ ચેતવા જેવું છે કે ‘લોહી-માંસથી શરીર હૃષ્ટપુષ્ટ થવાથી’, ત્યાં ચેતવાનું છે. તમે કહો છો કે અમારે ડિસ્ચાર્જ થાય છે, તે આ કારણ નડે છે. એક બાજુ શીખંડ, ભજ્યિાં, જલેબીઓ બધું ઠોકો છો અને પછી વીર્ય આંતરવા જાવ છો, તે કેમ બને ? શરીરને તો પોષણ પૂરતો જ ખોરાક આપવો અને તેય પાછો ભારે માલ મલીદાવાળો ખોરાક નહીં. આ પુસ્તકમાં ચોખ્ખું લખ્યું છે. એટલા માટે તો મેં આ તમને (પા. ૨૪૯)પુસ્તક વાંચવા આપ્યું છે. કેટલાંક જૈનના સાધુઓ આંબેલ કરતા હોય છે. આંબેલમાં કોઈ પણ એક જ ચીજ ખાય કાયમને માટે. પાણીમાં રોટલી બોળીને ખાય ત્યારે એ સાધુઓ બ્રહ્મચર્ય પાળી શકે છે. શિયાળાને દહાડે ટાઢમાં શરીર કસાય છે, ઉનાળામાં તાપમાં કસાય છે. આપણે તો ટાઢ-બાઢ સહન કરવાની નહીં ને ! રજાઈ લાવીને ઓઢી લીધું, તે ચાલ્યું ! એટલે જ ચેતતા રહેવાનું. આ તો તમારે બ્રહ્મચર્ય પાળવું હોય તો આ બધું ચેતતા રહેવું પડે. વીર્ય ઊર્ધ્વગામી થાય ત્યાર પછી એની મેળે ચાલ્યા કરે. હજુ તો વીર્ય ઊર્ધ્વગામી થયું નથી. હજુ તો એનો અધોગામી સ્વભાવ છે. વીર્ય ઊર્ધ્વગામી થાય, ત્યારે બધુંય ઊંચે ચડે. પછી તો વાણી-બાણી ફક્કડ નીકળે, મહીં દર્શનેય ઊંચી જાતનું ખીલેલું હોય. વીર્ય ઊર્ધ્વગામી થાય પછી વાંધો ના આવે, ત્યાં સુધી તો ખાવા-પીવાનું બહુ નિયમ રાખવા પડે. વીર્ય ઊર્ધ્વગામી થવા માટે તમારે એને મદદ તો કરવી પડે કે એમ ને એમ જ ચાલ્યા કરશે ? પ્રશ્નકર્તા : મદદ કરવી પડે. ખોરાકમાં શું શું ઉડાડી દેવાનું ? તળેલું, ઘી, તેલ કાઢી નાખવું પડે ને ? દાદાશ્રી : કશું ઉડાડી દેવાનું નહીં, એનું પ્રમાણ ઓછું કરી નાખવાનું. પ્રશ્નકર્તા : ભાત એ બ્રહ્મચર્ય માટે છેલ્લામાં છેલ્લો ખોરાક થયો, ખરું ને ? દાદાશ્રી : ના, એવું ભાત ઉપર નહીં. એ તો એકલો રોટલો હોય, ગમે તે હોય તોય ચાલે. બાકી અમુક ‘ફૂડ’ નહીં લેવું જોઈએ. ચીકાશવાળો ને એવો તેવો ખોરાક બધો ના લેવાય તો સારું પડે. પ્રશ્નકર્તા : બીજો, ગળપણવાળો ખોરાક ? દાદાશ્રી : ગળપણ પણ નહીં. ખટાશ ચાલે તે પણ પ્રમાણમાં, વધારે ખટાશ ના ખવાય. પ્રશ્નકર્તા : મરચાં ? (પા. ૨૫૦)દાદાશ્રી : થોડાં થોડાં ખવાય. મરચાં કરતાં મરી ઉત્તમ. બ્રહ્મચર્ય પાળવા માટે સૌથી સારામાં સારી આ સૂંઠ. આપણાં આ બ્રહ્મચારીઓને માટે જ ભાંજગડ છે ને ? બાકી બીજા બધાને તો આપણા આ વિજ્ઞાનમાં તો કશી ભાંજગડ જ નથી ને ? આપણા વિજ્ઞાનમાં તો ધીમે રહીને નિકાલ કરી નાખવાનો છે. આ તો બ્રહ્મચર્ય પાળે છે એટલે બધું કહેવું પડે. એટલે બ્રહ્મચર્ય આમ કેટલાંક વરસ જો કદી સચવાઈ ગયું કંટ્રોલપૂર્વક, તો પછી વીર્ય ઊર્ધ્વગામી થાય ને ત્યારે આ શાસ્ત્રો-પુસ્તકો એ બધાં મગજમાં ધારણ કરી શકે. ધારણ કરવું એ કાંઈ સહેલું નથી, નહીં તો વાંચે ને પાછો ભૂલતો જાય. પ્રશ્નકર્તા : હા, એવું જ થાય છે અત્યારે. દાદાશ્રી : હવે જો વીર્ય ઊર્ધ્વગામી થયેલું હોય તો જ એ ધારણ કરી શકે, નહીં તો એ ધારણ ના કરી શકે. પ્રશ્નકર્તા : આ પ્રાણાયામ કરે, યોગ કરે, એ બ્રહ્મચર્ય માટે કંઈ હેલ્પફૂલ થઈ શકે ખરું ? દાદાશ્રી : તે બ્રહ્મચર્ય માટેના ભાવથી કરે તો હેલ્પીંગ થઈ શકે છે. બ્રહ્મચર્ય માટેનો ભાવ હોવો જોઈએ અને તમારે શરીર સારું કરવા માટે કરવું હોય તો એનાથી શરીર સારું થાય. એટલે ભાવ ઉપર બધો આધાર છે. પણ આવા તેવામાં તમે પડશો નહીં, નહીં તો આપણો આત્મા રહી જશે. પ્રશ્નકર્તા : સ્ત્રી બેઠી હોય એ બેઠકમાં આવીને બ્રહ્મચારીથી ના બેસાય ? દાદાશ્રી : આ તો જૂના જમાનાની વાત થઈ. અત્યારે આ કાળમાં એ માફક ના આવે. એ બધું મેં કાઢી નાખેલું છે. કારણ કે બસમાં કોઈ સ્ત્રી ઊઠી તો તમે ના બેસો તો ક્યાં બેસો ? તો ઊભા રહેવાનું ? અને એ સ્ત્રી ઊઠી ગઈ અને તમે, ‘મારાથી ના બેસાય.’ એવું કહો તો લોક તમને ‘ચક્કરછાપ છે’ એવું કહેશે. તમે મૂરખ ના દેખાવ એટલે મેં પહેલેથી જ બધું કાઢી નાખેલું છે. એવી તો બધી બહુ વાતો છે. અહીં (પા. ૨૫૧)સ્ત્રીનો ફોટોય ના લટકાવાય. પછી ગાયનેય ના જોવાય, ગાય સ્ત્રી છે માટે. હવે આનો પાર ક્યારે આવે ? શાસ્ત્રકારોએ તો બહુ ઝીણું કાંત્યું છે અને આપણે તો શેતરંજીઓ બનાવવી છે માટે હવે જાડું જાડું કાંતો ને ! તો પણ આપણને કેવો આનંદ આનંદ રહે છે ! ત્યાં તો કોઈ દહાડો આનંદ જ નહીં અને આવું ઝીણું કાંતેલામાં બિચારાં ગૂંચાયા કરે છે. હા, નહાવા માટેની એ લોકોની વાત હું એક્સેપ્ટ કરું છું. નહાવાનું નહીં, ખાવાનું, દાતણ નહીં કરવાનું, એ બધું એક્સેપ્ટ કરું છું. નહાવું જોઈએ નહીં. કારણ કે નહાવાથી શરીરમાં બધી જ ઇન્દ્રિયો સતેજ થાય છે. જીભે ઊલ ઉતારી કે આ બધાં ભજિયાં-જલેબી ફાવશે ને ના ઉતારી હોય તો સ્વાદમાં રામ તારી માયા ! સ્વાદ ઓછો માલમ પડે. પ્રશ્નકર્તા : આ સાધુઓ ભીનાં કપડાંથી શરીર લૂછી કાઢે છે. દાદાશ્રી : એ તો કરવું જ પડે ને ! પ્રશ્નકર્તા : એનાથી ઇન્દ્રિયો સતેજ ના થાય ? દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : ગરમ કે ઠંડું પાણી હોય, એનાથી ફેર પડે ? દાદાશ્રી : એમાં કશોય લાંબો ફેર નહીં. ગરમ પાણી અંદર ઠંડક કરે છે ને ઠંડું પાણી અંદર ગરમી કરે છે. એનો સ્વભાવ અંદર ફેરફાર કરવાનો, બાકી બધું એકનું એક જ છે. નિરોગીથી વિષય ભાગેતમે બહાર પરિણામ ખોળો છો, પણ હંમેશાં જે નિરોગી હોય તેને જલ્દી પરિણામ બહાર પડે. આ બધું પ્રમાણ હોય છે ! નિરોગી શરીર હોય તો બ્રહ્મચર્ય સારું રહે. અબ્રહ્મચર્ય શરીરના રોગને લઈને થાય છે. જેટલો રોગ ઓછો એટલો વિષય ઓછો. પાતળા માણસને વિષય બહુ હોય છે ને જાડા માણસને વિષય ઓછો હોય. પ્રશ્નકર્તા : એટલે રોગને લઈને અબ્રહ્મચર્ય છે ? (પા. ૨૫૨)દાદાશ્રી : રોગથી જ અબ્રહ્મચર્ય છે. નીરોગી માણસને અબ્રહ્મચર્યની ભાંજગડ જ ના હોય ! એને એ ગમેય નહીં. એને આનંદ તો નીરોગીપણાનો હોય જ, એટલે એને વિષય ગમે જ નહીં. અને આ શરીરનું તો અત્યારે એવું રોગી થઈ ગયું છે એટલે આ કાળમાં નીરોગી હોય નહીં ને ! નીરોગી તો એક તીર્થંકરો હોય ! પ્રશ્નકર્તા : તો અમારે નીરોગી થવા માટે, બ્રહ્મચર્ય પાળવા માટે આ શરીરનું પણ ધ્યાન રાખવું પડે ને ? દાદાશ્રી : શરીરનું ધ્યાન તો એવી વસ્તુ છે કે હવે તમારે આ નિકાલી બાબત છે. એવું ધ્યાન તો ક્યારે આપવાનું હોય કે કર્તા સાથે હોય તો. આપણે ભાવ રાખવો કે બોડી નિરોગી હોવી જોઈએ, એવો પક્ષપાત રહેવો જોઈએ અને પછી શરીરને જરા સાચવો. પ્રશ્નકર્તા : કોઈ માણસ તંદુરસ્ત છે, તો એ તંદુરસ્તી શેના આધારે બેઝ થયેલી છે ? શારીરિક શક્તિનો આધાર વીર્ય શક્તિ છે ને ! દાદાશ્રી : આ સ્ત્રીઓમાં વીર્ય ના હોય, તોય શારીરિક શક્તિ બહુ હોય છે. પ્રશ્નકર્તા : તો તંદુરસ્તીનું જે ધોરણ છે, એ શેના આધારે કહેવાય છે ? દાદાશ્રી : એ રોગમુક્તના આધારે છે. રોગ ના હોય એટલે શક્તિ વધારે. રોગને લઈને શક્તિ ઓછી થઈ જાય. વીર્ય શક્તિ જુદી વસ્તુ છે. વીર્ય તો દરેકની અંદર હોય જ, રોગી હોય કે નિરોગી હોય, બેઉનામાં, બધામાં હોય. પાતળા માણસમાં વીર્ય શક્તિ વધારે હોય ને જાડામાં ઓછી હોય. પાતળામાં વધારે હોય. પાતળો કામી વધારે હોય, જાડો કામી ઓછો હોય. કારણ કે આનું ખાધેલું બધું માંસ થઈ જાય છે અને આનું ખાધેલું બધું વીર્ય થઈ જાય. પ્રશ્નકર્તા : માંસ કરતાં પણ ચરબીનો ભાગ વધારે હોય છે, જે માણસ જાડો હોય છે તેને ! (પા. ૨૫૩)દાદાશ્રી : હા, એનું ખાધેલું બધું ચરબી-માંસ બધું થઈ જાય. આનું ખાધેલું બધા હાડકાં જ થઈ જાય. જાડા થયેલાને કેટલું લોહી જોઈએ ? પેલાને તો લોહી જ જોઈએ નહીં ને પાતળાને, બધાં કારખાના ચાલુ હોય એટલે પછી વધ્યું-ઘટ્યું વીર્ય બની જાય. થોડું સમજાય છે ? જાડા માણસમાં વિષય બહુ ઓછો હોય. એમાં સ્ટ્રેન્થેય (શક્તિમાં) ઓછી હોય. પ્રશ્નકર્તા : એક વાર એવું સાંભળેલું કે પુદ્ગલનો ફોર્સ વધી જાય, પુદ્ગલની શક્તિ વધે તો વિષયોમાં ખેંચાઈ જાય, એ ખરું ? દાદાશ્રી : શરીરનું ઠેકાણું ના હોય ને ખોરાક ઠોકાઠોક લે તો એ બ્રહ્મચર્ય ટકે નહીં, અબ્રહ્મચર્ય થઈ જાય. જો શરીર મજબૂત હોય, પણ ખોરાક ઓછો હોય એ બ્રહ્મચર્યને સાચવી શકે. બાકી જેને થ્રી વિઝનથી વૈરાગ આવતો હોય, તેને તો કશું અબ્રહ્મચર્ય થાય એવું છે જ નહીં. આ ગટરને એક ફેરો ઊઘાડીને જોઈ લીધી હોય પછી ફરી ઊઘાડે જ નહીં ને ! ઊઘાડવાની ઇચ્છા જ ના થાય ને ? એની તો એ બાજુ દ્રષ્ટિ જ ના જાય. બ્રહ્મચર્ય તો કેવું હોય ? હજાર સ્ત્રીઓ વચ્ચે પણ મન બગડે નહીં, એને વિચાર સરખોય આવે નહીં. મન બગડે એટલે બધું બગડ્યું. કેમ કે એ ચાર્જ સ્વરૂપ છે. એટલે તરત ચાર્જ થઈ જાય અને ચાર્જ થયું કે ડિસ્ચાર્જ થવાનું જ ! જ્ઞાનીની ઝીણી ઝીણી વાતોપ્રશ્નકર્તા : વિષય સિવાયના બીજા વિચારો આવે ને ઘણી વાર સુધી આમ ચાલ્યા કરે, તો શું કરવું ? દાદાશ્રી : છો ને રહ્યા, એનો વાંધો શો છે ? એને જોયા કરવાના કે શું આવ્યા ને શું નહીં. બસ, જોયા જ કરવાના અને નોંધ પણ નહીં કરવાની. આ પાણી પડ્યા કરે છે એવું એ વિચાર ચાલ્યા કરે. આપણે એને જોયા કરવાનું. પ્રશ્નકર્તા : ખરાબ વિચાર આવે તો પ્રતિક્રમણ કરતા જવાનું ? દાદાશ્રી : ખરાબ વિચાર હોતો જ નથી. ખરાબ વિચાર ને સારા (પા. ૨૫૪)વિચાર, એ તો સંસારના લોકોએ નામ પાડ્યાં છે. જેને આત્મજ્ઞાન છે, એને વિચાર માત્ર જ્ઞેય છે. વિચારને ખરાબ કહીએ તો મનને પાછી રીસ ચઢે. એટલે આપણે શું કરવા કોઈને ખોટું કહીએ ? એ એનો સ્વભાવ જ છે. સારો વિચાર હોય કે દુર્વિચાર, મન દેખાડ્યા જ કરે. એને આપણે જોયા કરવાનું. મનમાં વિચાર આવે એ ઉદયભાવ કહેવાય. તે વિચારમાં પોતે તન્મયાકાર થયો તો આશ્રવ થયું કહેવાય. તેથી પછી કર્મો ઝમવાં માંડે. પણ જો તેને ભૂંસી નાખે તો પાછું ભૂંસાઈ જાય. જો એનો કાળ પાકે ને અવધિ પૂરી થઈ જાય તો બંધ પડે એટલે અવધિ પૂરી થાય, તે પહેલાં ભૂંસી નાખવું પડે. તો બંધ ના પડે. એટલે આપણે કહ્યું ને, અતિક્રમણ તો થઈ જાય, પણ તરત પાછું પ્રતિક્રમણ કરો. એટલે પછી બંધ ના પડે. શરીર તો હેરાન ના કરે ને ? પ્રશ્નકર્તા : ના, આમ તો એવું લાગે છે કે મન જ હેરાન કરે છે, શરીર હેરાન કરે એવું લાગતું નથી. બાકી આ જે ભોગો ભોગવે છે, એનાથી શરીરને એક જાતની તૃપ્તિ મળે છે. દાદાશ્રી : હા, એ સંતોષ થાય છે. સંતોષ એટલે શું કે કોઈ પણ જાતની ઇચ્છા થઈ. દારૂ પીવાની ઇચ્છા થઈ તો છેવટે દારૂ પીએ ત્યારે એને સંતોષ થાય. પછી ગમે તેવી ગાંડીઘેલી ઇચ્છા હશે તો પણ એને સંતોષ થાય. પ્રશ્નકર્તા : પણ દાદા, પહેલું તો એ મન પર જ અસર કરે, તો દેહનું જોર વધી જાય ને ? દાદાશ્રી : ના, આ દેહને અને મનને એટલો બધો સંબંધ નથી. કારણ કે નાનાં બાળકો પણ ખોરાક વધારે ખાય. તે શરીરનું બહુ જોર હોય. એમનું મન આ વિષયની બાબતમાં જાગૃત થયેલું નથી હોતું, તો પણ એમના શરીર પર અસર દેખાય. પ્રશ્નકર્તા : શી અસર દેખાય ? (પા. ૨૫૫)દાદાશ્રી : આ ‘ઇન્દ્રિય’ ટાઈટ થઈ જાય, પણ એને મનમાં કશું હોતું નથી. એટલે શરીરની અસર એટલી બધી નુકસાન કરે એવી વસ્તુ નથી હોતી, પણ આ તો લોકો ઊંધું માની લે છે. આ તો ઊંધી માન્યતા છે બધી. બાકી નાનાં બાળકો એ કંઈ વિષયને સમજતા નથી, એમના મનમાં વિષય જેવું હોતું પણ નથી. છતાં આ શરીરનું બળ છે. ખોરાક ને દૂધ એ બધું ખાય એટલે ઇન્દ્રિય ટાઈટ થઈ જાય છે. એથી કંઈ એ શરીરને નુકસાન કરે છે એવું માની લેવું, એ તો ખોટું છે. બધો મનનો જ રોગ હોય છે. મનનો રોગ જ્ઞાનથી જતો રહે એવો છે, તો પછી આપણને એમાં વાંધો ક્યાં આવે ? પ્રશ્નકર્તા : હજી કંઈ બરોબર સમજાતું નથી. તો શરીરને તો કોઈ નિષ્પત્તિ જ નથી હોતી ? દાદાશ્રી : હા, નિષ્પત્તિ જ નહીં. પ્રશ્નકર્તા : તો પેલું શરીર એકદમ સૂકવી નાખવું અને એવું થાય કે શરીર સારું હોય તો નુકસાન થશે એવું માનવાની આમાં જરૂર નથી ? દાદાશ્રી : એવું કંઈ એટલું બધું માનવાની જરૂર નથી અને એવું ગભરાઈને અત્યારે ખોરાક બહુ ના લો, તો તે પાછું શરીરને નુકસાન કરશે. એટલે એનો અર્થ કોઈએ ઊંધો ના લેવો જોઈએ કે દાદાએ ખોરાકની છૂટ આપી છે. પ્રશ્નકર્તા : એટલે નોર્માલિટી ગોઠવીને લેવું એમ ? દાદાશ્રી : નોર્માલિટી એટલે અમુક ઘી-તેલ એ બધું અમુક અમુક તો ઓછું જ કરો. કારણ કે એ બધાની શરીર પર અસર પડે છે. આ સમજાયું ને ? ટાઈટ થવું એ શરીરનો સ્વભાવ જ છે. આમાં ઊંધું માની બેસે કે દોષ મનનો જ છે, મન છે તો આવું થાય છે. એટલે આવું માની બેસવાની ભૂલ થાય. પણ આમ ખુલાસો થાય પછી માની બેસવાની ભૂલ ના કરે. આ શરીરને અસર થઈ, એવું કંઈ થવાથી ‘ભૂખ’ લાગી એવું કેમ કહેવાય આપણે ? હું શું કહેવા માંગું છું એ સમજાય (પા. ૨૫૬)છે ? નાનાં છોકરાં, બધાને જોયેલાં ? એનો સ્ટડી નહીં કરેલો ? આ સાંભળ્યુંને ? હવે સ્ટડી કરજો એટલે આ ઊંધી માન્યતા ઊડી જાય. પ્રશ્નકર્તા : વિષય મનથી ભોગવે અને શરીરથી ભોગવે, તો એ બેમાં કર્મ શેમાં વધારે બંધાય ? ગાંઠ શેમાં પડે ? દાદાશ્રી : મનથી ભોગવે, તેમાં વધારે થાય. પ્રશ્નકર્તા : જ્યારે સ્થૂળમાં ભોગવવાનું આવે, ત્યારે મનથી તો પહેલાં ભોગવાઈ જ ગયું હોય ને ? દાદાશ્રી : મન ભોગવે કે ના પણ ભોગવે. પ્રશ્નકર્તા : ખાલી મનથી ભોગવતો હોય ત્યારે ગાંઠ પડે, ને મન અને કાયા બન્ને સાથે હોય તો એનું કર્મ કેવું પડે ? દાદાશ્રી : મન જ્યાં આવ્યું ત્યાં બધું બગડે અને કેટલાંક તો, મન- દેહ અને ચિત્તથી ભોગવે છે એ બહુ ખરાબ. પ્રશ્નકર્તા : ચિત્તથી ભોગવવું એટલે શું ? દાદાશ્રી : ફિલ્મથી ભોગવવું, તરંગો ભોગવવાનું, તરંગી ભોગવટા કહેવાય એને ! પ્રશ્નકર્તા : મનનો જે વિષય ઊભો થાય છે અને શરીરનો જે વિષય ઊભો થાય છે, એ બેમાં જોખમદાર કયું ? દાદાશ્રી : શરીરનો વિષય ઊભો થયો, તેને ગણકારી ના શકાય તો ચાલે. પણ મનનો વિષય ના થવો જોઈએ. આ લોકો બધા શરીરના વિષયથી છેતરાય છે. એમાં છેતરાવાનું કોઈ કારણ નથી. મનમાં ના રહેવું જોઈએ. વિષયની બાબતમાં મન ચોખ્ખું થઈ જવું જોઈએ, મન નિવૃત્ત થઈ જવું જોઈએ. પ્રશ્નકર્તા : એટલે મૂળ બીજ તો મનથી જ પડે છે એમ ? દાદાશ્રી : મનમાં હશે તો જ એ વિષય છે, નહીં તો એ વિષય (પા. ૨૫૭)નથી. ઇન્દ્રિય ટાઈટ થાય તોય મન ના જાગે એવું છે. પણ આપણા લોકો તો શું કહે છે કે ઇન્દ્રિય ટાઈટ થાય પછી મનમાં આવે છે. એટલે આ લોકોએ ટાઈટનેસ ના આવે એટલા માટે શું કર્યું કે ખોરાક ઓછો કરો, ખોરાક બંધ કરો, દૂધ બંધ કરો કે જેથી ઇન્દ્રિયો નરમ પડે ને ટાઈટનેસ થાય નહીં, એટલે મનમાં થાય નહીં. એટલે આ લોકોની વાત ખોટી છે, એવું તમને સમજાય છે ? આ બધી વાત બહુ ઝીણી વાત કહું છું, સમજતાં જરા વાર લાગે એવી છે. ઊલટી થાય તેથી મરી જવાય ?બ્રહ્મચર્ય વ્રત લીધું હોય. કશુંક અવળું-હવળું થાયને ત્યારે ગૂંચાય. એક છોકરો મૂંઝાતો’તો, મેં કહ્યું, ‘કેમ ભઈ, મૂંઝાઉ છું ?’ તમને કહેતાં મને શરમ આવે છે. મેં કહ્યું, ‘શું શરમ આવે છે ? લખીને આપ બળ્યું.’ મોઢે કહેતાં શરમ આવે તો લખીને આપ. ‘મહિનામાં બે-ત્રણ વખત મને ડિસ્ચાર્જ થઈ જાય છે.’ કહે છે. ‘મેર ગાંડિયા, એમાં તો શું આટલો બધો ગભરાઉ છું ! તારી દાનત નથી ને ? તારી દાનત ખોટી છે ?’ ત્યારે કહે, ‘બિલકુલ નહીં, બિલકુલ નહીં.’ ત્યારે મેં કહ્યું, ‘તારી દાનત ચોખ્ખી હોય તો બ્રહ્મચર્ય જ છે’ કહ્યું. ત્યારે કહે, ‘પણ આવું થાય ?’ મેં કહ્યું, ભઈ, એ ગલન ન્હોય ? એ તો પૂરણ થયેલું ગલન થઈ જાય. એમાં તારી દાનત ના બગડવી જોઈએ. એવું રાખજે, એ સાચવવી. દાનત ના બગડવી જોઈએ કે આમાં સુખ છે. મહીં મૂંઝાયને બિચારો ! તો ચોખ્ખું તરત કરી આપું. પ્રશ્નકર્તા : એ દાનત જ મૂળ છે વાત ! ‘દાનત કેવી છે’ એના ઉપર જ છે બધું આખું. દાદાશ્રી : તમારી દાનત પછી કઈ બાજુ છે ? તમારી દાનત ખરાબ હોય અને વખતે ડિસ્ચાર્જ ના થાય તેથી કરીને તું બ્રહ્મચારી નહીં થઈ જઉં. ભગવાન બહુ પાકાં હતા, કોણ આવી સમજણ પાડે ? અને કુદરત તો એનાં નિયમમાં જ હોય ને. ઊલટી થઈ ગઈ એટલે મરી જઈશ એવું થઈ ગયું ? શરીર હોય તો ઊલટી ના થાય, તો શું થાય ? રોજ સુલટી થાય, પછી ઊલટી ના થાય પાછી ? (પા. ૨૫૮)પ્રશ્નકર્તા : હમણાં છેલ્લા થોડા વખતમાં બહુ બધી વખત પતન થયું હતું, ડિસ્ચાર્જ થયું હતું. દાદાશ્રી : જેટલું તમારું કશામાં ચિત્ત ચોંટ્યું એટલું મહીં એની મેળે જ ડિસ્ચાર્જ થઈ ગયેલું હોય, તે પછી નીકળી જાય છે. મડદાલ થઈ જાય, એ નીકળી જાય. જે મડદાલ નથી થયું એ નીકળે નહીં. પ્રશ્નકર્તા : ના, એનો મતલબ એ થાય છે કે હજી કશેક ચિત્ત ચોંટે છે. દાદાશ્રી : હં, ચોંટ્યું નથી. મહીં ચોંટતું હશે થોડું ઘણું, એનું ફળ છે. આ બધું ચોંટ્યા પછી ઉખાડી લ્યો, તમે આમ પ્રતિક્રમણ કરીને. થોડું ચોંટી જાયને ? એટલે ચોંટ્યું તો કાયદો એવો છે કે તરત છે તે પેલું મહીં છૂટું પડી જાય અને પછી મડદાલ થયું. એ તો મહીં રહે, તેનાં કરતાં નીકળી જાય તેનો વાંધો નહીં રાખવાનો. પ્રશ્નકર્તા : તો એવું સમજવાનું કે ચિત્ત જો ચોંટવાનું ઓછું થઈ જાય તો તમારો જે ગેપ છે ડિસ્ચાર્જ થવાનો એ વધતો જાય. દાદાશ્રી : ના, એવું નહીં. ડિસ્ચાર્જનો ગેપ વધ્યો હોય તો પાછો ગેપ ઓછોય થઈ જાય, થોડા દહાડા પછી. માણસ સંડાસ જઈ આવે ને ડિસ્ચાર્જ થાય, એમાં ફેર નથી. પ્રશ્નકર્તા : તંદુરસ્ત માણસને ડિસ્ચાર્જ થાય, એની મેળે ઓટોમેટિક અમુક ટાઈમે થાય. દાદાશ્રી : થાય. પુદ્ગલ સંડાસ ગયું, એને એવું કહે એટલે રાગે પડી જાય. આ શરીરમાંથી નીકળે, એ બધું સંડાસ જ કહેવાય. નાકે નીકળે, ગમે ત્યાંથી નીકળે સંડાસ જ કહેવાય. પ્રશ્નકર્તા : તો આ ખોટ તો ગઈ કહેવાય ને ? દાદાશ્રી : ખોટ તો ડિસ્ચાર્જ થતાં પહેલેથી જ ગઈ છે. અંદર છૂટું પડે ત્યારથી જ ગયેલી છે. હવે ખોટ ને નફાને શું કરવું છે ? આપણે તો આત્મા મજબૂત રહે છે કે નહીં ? એટલું જ જોવું. (પા. ૨૫૯)આ શરીરમાંથી જે નીકળે, એ બધો સંડાસનો માલ. સંડાસનો માલ થાય ત્યારે બહાર નીકળે. ત્યાં સુધી બહાર નીકળે નહીં. આ શરીરનો માલ હોય ને ત્યાં સુધી બહાર નીકળે નહીં. વિચાર : મંથન : સ્ખલનસંડાસનો માલ નીકળી જાય વખતે, રહે નહીં. હમણે કોઈ વિષયનો વિચાર આવ્યો, તરત તન્મયાકાર થયો એટલે મહીં માલ ખરીને નીચે ગયો. એટલે પછી ભેગો થઈને નીકળી જાય હડહડાટ. પણ વિચાર આવે ને તરત ઉખાડી નાખે તો મહીં ખરે નહીં પછી, ઊર્ધ્વગામી થાય. નહીં તો વિચાર આવતાંની સાથે ખરી પડે નીચે. એટલું બધું મહીં વિજ્ઞાન છે આખું !! પ્રશ્નકર્તા : વિચાર આવતાંની સાથે જ. દાદાશ્રી : ઓન ધી મોમેન્ટ. બહાર ના નીકળે પણ મહીં અંદર પડી ગયું જુદું એ. બહાર નીકળવા લાયક થઈ ગયું એ શરીરનો માલ રહ્યો નહીં. પ્રશ્નકર્તા : એટલે પ્રતિક્રમણ થાય તો પાછું ઊર્ધ્વગમન થાય ? દાદાશ્રી : વિચાર આવે ને, વિચારમાં તન્મયાકાર ના થાય, વિચારને જોયા કરે તો ઊર્ધ્વગમન થાય. વિચાર આવે ને તન્મયાકાર થાય, એટલે પછી છૂટું પડી ગયું તરત. પ્રશ્નકર્તા : છૂટું પડી ગયું પછી પ્રતિક્રમણ કરે તો પાછું ઊંચે આવશે કે ઊર્ધ્વગમન ના થાય ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરે તો શું થાય ? કે તમે એનાથી જુદા છો એવો અભિપ્રાય દેખાડે છે કે અમારે એમાં લેવાદેવા નથી. પ્રશ્નકર્તા : વીર્યનું ઊર્ધ્વગમન અને ડિસ્ચાર્જ સાથે કોઈ રિલેશન ખરું ? દાદાશ્રી : ડિસ્ચાર્જ થયું એટલે ઊર્ધ્વગમનનું અધોગમન થઈ ગયું. (પા. ૨૬૦)પ્રશ્નકર્તા : એનો મતલબ વીર્યનું ઊર્ધ્વગમન થાય એટલે ડિસ્ચાર્જ બંધ થઈ જાયને ધીરે ધીરે ! દાદાશ્રી : ના. એવો કંઈ નિયમ નથી. ડિસ્ચાર્જ પણ થાય, ડિસ્ચાર્જનું તો એની જોખમદારી નથી ગણાતી. જાણી બુઝીને ડિસ્ચાર્જ થાય ત્યારે જોખમદારી. અત્યારમાં છે તે અમથું અંદર ખોરાકનું દબાણ આવે કે બીજું દબાણ આવે તોય થઈ જાય. જાણી-જોઈને ના હોવું જોઈએ. બનતાં સુધી ડિસ્ચાર્જ ના થાય એવું ચેતીને રહેવું. વિષયનો વિચાર જ ના આવે અને આવે તો ફેંકી દેવાનું, અંકુર ફૂટતાં જ ફેંકી દેવાનું ત્યારે વીર્ય છે જે પુદ્ગલનો એક્સટ્રેક્ટ છે, તે ઉપર ચઢે છે. તે ઊર્ધ્વરેતા થાય. પછી વાણી-બાણી બધું ક્લીયર રહે. આમ જાગૃતિ બહુ સારી રહે. તારાથી રહેવાશેને હું કહું છું તેમ ? ભરેલો માલ એ તો નીકળ્યા વગર રહેવાનું નહીં. વિચાર આવ્યો તેને પોષણ આપ્યું, તો વીર્ય મડદાલ થઈ ગયું. એટલે કોઈ પણ રસ્તે ડિસ્ચાર્જ થઈ જાય છે અને જો ટક્યું મહીં, વિષયનો વિચાર જ ના આવ્યો તો ઊર્ધ્વગામી થાય. વાણી-બાણી બધામાં મજબૂત થઈને આવે. નહીં તો વિષયને અમે સંડાસ કહેલું જ છે. બધું ઊભું થાય છે તે સંડાસ થવા માટે જ થાય છે. બ્રહ્મચર્ય પાળે તેને બધું આવે. પોતાને વાણીમાં, બુદ્ધિમાં, સમજણમાં બધામાં આવે, પ્રગટ થાય. નહીં તો વાણી બોલે તો ખીલે નહીં, ઊગેય નહીં ને. એ ઊર્ધ્વગમન થાય તો પછી આ બધી વાણી ફર્સ્ટકલાસ થઈ જાય ને બધી શક્તિઓ ઊભી થાય પછી. આવરણો તૂટી જાય બધા. પ્રશ્નકર્તા : એટલે ઉખેડીને ફેંકી દેવો એટલે જોવાનો ખાલી વિચારને ? દાદાશ્રી : જોવાનો જ. જોવાનો તો ઊંચી વાત, આ તો વિચાર ઊગે ને તન્મયાકાર થઈ જાય તો એને ફેંકી દેવાના. પણ જોવાનું બને તો પછી ફેંકવાનું ના હોય ને ! પ્રશ્નકર્તા : આ વધારે સરળ પડે. (પા. ૨૬૧)દાદાશ્રી : વિષયનો વિચાર તો ક્યારે આવે ? આમ જોયું અને આકર્ષણ થયું એટલે વિચાર આવે. કોઈ વખત એવું પણ બને કે આકર્ષણ થયા વગર વિચાર આવે. વિષયનો વિચાર આવ્યો એટલે મનમાં એકદમ મંથન થાય અને સહેજ પણ મંથન થાય એટલે પછી એ સ્ખલન થઈ જ જાય, તરત જ, ઓન ધી મોમેન્ટ. માટે આપણે છોડવો ઊગતાં પહેલાં જ ઉખાડી નાખવો જોઈએ. બીજું બધું ચાલે, પણ આ છોડવો બહુ વસમો હોય. જે સ્પર્શ નુકસાનકર્તા હોય, જે માણસનો સંગ નુકસાનકર્તા હોય ત્યાંથી દૂર રહેવું જોઈએ. તેથી તો શાસ્ત્રકારોએ એટલું બધું ગોઠવેલું કે આમ સ્ત્રી જ્યાં બેઠી હોય ત્યાં એ જગ્યા ઉપર બેસો નહીં, જો બ્રહ્મચર્ય પાળવું હોય તો, અને જો સંસારી રહેવું હોય તો ત્યાં તમે તમારે બેસજો, રહેજો. બ્રહ્મચર્ય પાળવું હોય તો ‘જ્ઞાની પુરુષ’ પાસે સમજી લેવું જોઈએ. પહેલું એ જ્ઞાન જાણી લેવું પડે અને એ જ્ઞાન સમજમાં આવવું જોઈએ. બ્રહ્મચર્ય તો, મન બિલકુલ ડગે નહીં, ત્યારે એ બ્રહ્મચર્ય મગજમાં ઘૂસે અને પછી એની વાણી-વર્તન બધું ફેરફાર થઈ જાય !!! નહીં તો ત્યાં સુધી પુદ્ગલસાર ધોવાયા જ કરે બધો. આ જે ખોરાક ખાધો ને, તે સાર બધો પછી ઊડી જાય. પ્રશ્નકર્તા : મન કેળવવા માટે અમુક વખત તો જવાનો જ ને ? દાદાશ્રી : મનને કેળવવા માટે તો આ કેટલો વખત ગયો ? અનાદિ કાળથી કરે છે આ બધું. પ્રશ્નકર્તા : હા, પણ તમે કહો છો તે પ્રકારનું મન કેળવતાં અમુક વખત તો જવાનો ને ? એકદમ કેળવાઈ જાય મન ? દાદાશ્રી : થોડો વખત લે, છ-બાર મહિના લે. પ્રશ્નકર્તા : એટલે પહેલાં આકર્ષણ થાય અને પછી વિચાર આવે એવો કશો નિયમ નથી. એમનો એમ પણ વિચાર આવે ? દાદાશ્રી : એમ ને એમ પણ વિચાર આવે. (પા. ૨૬૨)પ્રશ્નકર્તા : પછી વિચાર આવે, પછી મંથન ચાલુ થાય ? દાદાશ્રી : વિચાર આવે કે મંથન શરૂ થઈ જાય, પણ જો પ્રતિક્રમણ ના કરે તો. એટલે આપણે કહીએ છીએ કે વિચાર આવે કે તરત ઉખેડીને ફેંકી દેવો. એક ક્ષણવાર વિચાર રખાય નહીં, પ્રતિક્રમણ કરીને તરત ફેંકી દેવું. પ્રશ્નકર્તા : અને જેને બહુ જ સ્પીડિલી વિચારો આવે તો ? દાદાશ્રી : બહુ જ સ્પીડિલીમાં તો પેલાને સમજણ જ ના પડે. કારણ કે મહીં મંથન થઈ ગયું હોય, પછી મંથનથી સાર બધો મરી જાય, પછી એ અંદર મરેલું પડી રહેશે. પછી બધું ભેગું થાય ત્યાર પછી બહાર નીકળે. ત્યારે એને તો એમ જ થાય કે આજે મને ડિસ્ચાર્જ થઈ ગયું. ડિસ્ચાર્જ તો મહીં થતું હતું જ, મહીં થઈ જ રહ્યું હતું. એ ટીપે ટીપે ડિસ્ચાર્જ થયા કરે. પ્રશ્નકર્તા : બહુ પહેલાં વાત નીકળેલી ત્યારે આપ બોલેલા કે મહીં તન્મયાકાર થાય, તે વખતે જ પરમાણુનું સ્ખલન થાય છે. દાદાશ્રી : બસ, તન્મયાકાર એટલે જ મંથન, એટલું જો સમજે તો તો બ્રહ્મચર્યનું બહુ મોટામાં મોટું સાયન્સ સમજી જાય. વિચાર આવ્યો ને તન્મયાકાર થયો કે મહીં સ્ખલન થઈ જાય છે, પણ આ લોકોને સમજણ ના પડે, ગતાગમ નહીં. ભાન જ તે ઘડીએ ના રહે ને ! છતાં આ પ્રતિક્રમણ કરે છે તે ચાલે. પ્રશ્નકર્તા : એટલે વિચાર આવે ત્યાંથી જ ચેતી જવાનું ? દાદાશ્રી : વિચાર આવ્યો ને જો પ્રતિક્રમણ ના કર્યું તો ખલાસ. પ્રશ્નકર્તા : તો ખરેખર તો વિચાર જ ના આવવો જોઈએ ને ? દાદાશ્રી : વિચાર તો આવ્યા વગર રહે નહીં. મહીં ભરેલો માલ છે એટલે વિચાર તો આવે, પણ પ્રતિક્રમણ એનો ઉપાય છે. વિચાર ના આવવો જોઈએ એવું બને તો ગુનો છે. પ્રશ્નકર્તા : ત્યાં સુધીની સ્ટેજ આવવી જોઈએ એમ ? (પા. ૨૬૩)દાદાશ્રી : હા, પણ એ વિચાર ના આવવો, એ તો ઘણે કાળે ડેવલપ થતો થતો આગળ આવે છે. પ્રતિક્રમણ કરતો કરતો આગળ જાય, એટલે પછી એને પૂર્ણાહુતિ થાય ને ! પ્રતિક્રમણ કરવા માંડ્યાં એટલે પછી પાંચ અવતારે - દસ અવતારેય પૂર્ણાહુતિ થઈ જાય ને ! એક અવતારમાં તો ખલાસ ના પણ થાય. પ્રશ્નકર્તા : જે વિચાર આવે છે એ ભરેલો માલ છે ? દાદાશ્રી : એ બધો ભરેલો માલ જ ને ! વિચાર એની મેળે આવે છે. પ્રશ્નકર્તા : અમુક વખતે એવું પણ બને છે કે વિચાર પણ ચાલુ રહે ને પ્રતિક્રમણ પણ ચાલતું હોય, બન્નેય ક્રિયા સાથે ચાલતી હોય. દાદાશ્રી : એનો વાંધો નહીં. ભલેને વિચારો ચાલુ હોય, જોડે પ્રતિક્રમણ ચાલુ રહે તો પછી તેનો વાંધો નહીં. પ્રશ્નકર્તા : આ તો ગજબનું સાયન્સ બહાર પડ્યું છે દાદા ! દાદાશ્રી : પણ લોકોને સમજાય નહીં ને ! આ તો બધા વાંચે એટલું જ, છતાં આટલું વાંચે તો પણ સારું છે, જવાબદારી સમજે તો પણ બહુ થઈ ગયું ! જોખમદારી સમજાય તો પણ બહુ થઈ ગયું. આ તો જાણે કે વિચાર આવ્યો, તો એમાં શું બગડી ગયું ? પણ એ તો બેભાનપણું કહેવાય. છતાં બહુ વિચારશીલ હોય, બ્રિલિયન્ટ હોય, એને તો સારું સમજાય અને એ વાતને પકડી પણ શકે, એને હેલ્પ પણ કરે. આ તો લોકો જાણતા નથી કે આ વિચાર આવ્યો, તો શું થશે ? આ તો કહેશે કે વિચાર આવ્યો માટે શું બગડી ગયું ? લોકોને ખ્યાલ ના હોય તે વિચારને અને ડિસ્ચાર્જને એ બન્નેને લિંક કેવી રીતે છે. વિચાર જો એમ ને એમ ના આવે, તો બહાર જોવાથી પણ વિચાર ઊભો થાય. પ્રશ્નકર્તા : ઘણી વાર એકલા હોઈએ તો પણ વિચાર એની મેળે અંદરથી ફૂટવા માંડે. દાદાશ્રી : એકલા જેવું કશું હોતું નથી, પણ ટાઈમિંગ થાય ત્યારે ટાઈમ બતાડી જ દે. (પા. ૨૬૪)આ બધી ઝીણી વાત કહેવાય, અમુક અમુક વિચારશીલને જ સમજ પડે અને નહીં સમજાય તો માર ખાશે. કુદરતને ઘેર કંઈ ઓછો વાંધો છે ?! પ્રશ્નકર્તા : ધારો કે એ વિચારધારા એને પાંચ-દસ મિનિટ ચાલી તો ? અને પછી તરત જ એનું પ્રતિક્રમણ કરે તો ? દાદાશ્રી : એનો વાંધો નહીં. પણ વિચારધારાનાં થોડાક જ ટાઈમ સુધીમાં કરવું જોઈએ. એકદમ ટાઈમ પણ ના જવા દેવો જોઈએ, નહીં તો પછી મંથન થઈ જાય. પ્રશ્નકર્તા : એટલે એક વિચાર આવ્યો કે તરત જ ? દાદાશ્રી : તરત જ, એટલે કે એ આગળ ને પ્રતિક્રમણ એની પાછળ, એના જેવું. જેમ આગળ એક માણસની પાછળ બીજો માણસ જતો હોય એવું. તે આગળ આ વિચાર હોય ને પાછળ આ પ્રતિક્રમણ હોવું જોઈએ. પ્રશ્નકર્તા : એટલે એક સેકન્ડની પણ વાર ના લાગવી જોઈએ? દાદાશ્રી : સેકન્ડની વાર લાગી હોય તો ચાલી જાય. કારણ કે આ પ્રતિક્રમણમાં બહુ જોર હોય છે. એટલે એ વિચાર શરૂ થતાં જ એને હડહડાટ ઉડાડી દેવાય. પ્રતિક્રમણનું તો બહુ જોશ હોય છે. અતિક્રમણનાં જોશ કરતાંય પ્રતિક્રમણનું બહુ જોશ હોય છે. ઝેર પીધું હોય, તે ઘૂંટડો ગળામાંથી નીચે ઊતરે એ પહેલાં ઊલટી કરી નાંખે તો કશું નહીં, પણ ઘૂંટડો નીચે ઊતર્યો પછી અસર થયા વગર રહે નહીં. અરે, પછી તો ઊલટીઓ કરાવે તો પણ થોડું રહી જાય. એવું આ વિષય સંબંધી છે ! જેને બ્રહ્મચર્ય પાળવું હોય એને વિષય સંબંધી વિચાર આવે તો એ જોયું કે તરત જ પ્રતિક્રમણ કરવું જોઈએ. એમાં સહેજ જો અટક્યો અને મહીં મંથન થયું કે મંથન થયા પછી સ્ખલન થયા કરે. કોઈપણ રસ્તે, ‘એની-વે’ સ્ખલન થાય જ. આપણો માર્ગ જ બધો બહુ ઊંચો છે ને ? પ્રતિક્રમણનો માર્ગ જ (પા. ૨૬૫)આખો ઊંચો છે. અરધો કલાક ઊંધું ચાલતું હોય ને જો જાગૃત થયો તો બે મિનિટમાં જ હડહડાટ બધું ફ્રેકચર કરી નાખે. આ ‘અક્રમ વિજ્ઞાન’ જ ઊંચી જાતનું છે. અમે તો આ બધું અમારું નિરીક્ષણ કરીને અનુભવનું બધું આ વિજ્ઞાન મૂક્યું છે. કેટલાંય અવતાર પહેલાંના નિરીક્ષણ હશે, તે આજે તમને મહીં લખાઈ ગયું. અમને તો ‘એટ એ ટાઈમ’ કેટલાંય પાર વગરનાં દર્શન બધાં ફરી વળે, વાણીમાં તો કેટલાંક જ નીકળે તેવા હોય અને તમને જ્યારે સમજાવીએ ત્યારે તો અમુક જ નીકળે. તેય સંજ્ઞામાં મહીં જે સમજાયું હોય તેવું તો ના જ હોય ને ?! છતાં પણ જ્ઞાની પુરુષની વાણી છે એટલે સાંભળનારને ક્રિયાકારી થયા વગર રહે નહીં. (પા. ૨૬૬)[14] બ્રહ્મચર્ય પમાડે બ્રહ્માંડનો આનંદએનાથી શું ના મળે ?આ કળિયુગમાં આ દુષમકાળમાં બ્રહ્મચર્ય પાળવું બહુ મુશ્કેલ છે. આપણું જ્ઞાન છે તે એવું ઠંડકવાળું છે. અંદર કાયમ ઠંડક રહે, એટલે બ્રહ્મચર્ય પાળી શકે. બાકી અબ્રહ્મચર્ય શાથી છે ? બળતરાને લીધે છે. આખો દહાડો કામકાજ કરીને બળતરા, નિરંતર બળતરા ઊભી થઈ છે. આ જ્ઞાન છે એટલે મોક્ષને માટે વાંધો નથી, પણ જોડે જોડે બ્રહ્મચર્ય હોય તો એનો આનંદેય આવો જ હોય ને ?! હેય... અપાર આનંદ, એ તો દુનિયાએ ચાખ્યો જ ના હોય એવો આનંદ ઉત્પન્ન થઈ જાય ! એટલે આવા વ્રતમાં જ જો પાંત્રીસ વર્ષનો એ પિરીયડ કાઢી નાખે ત્યાર પછી તો અપાર આનંદ ઉત્પન્ન થાય ! એટલે આવો ઉદય આવ્યો છે, એ તો ધન્ય ભાગ્ય જ કહેવાય ને ? હવે પાંસરી રીતે પાર પડવું જોઈએ. બ્રહ્મચર્ય આજ્ઞાપૂર્વકનું હોય તે સાચું અને ત્યારે જ કામ થાય. ભૂલ થાય તો દાદા પાસે માફી માંગવાની. જેમ દેવું વધારે હોય એમ વિચારો ખરાબ હોય, બહુ ખરાબ વિચારો હોય. પ્રશ્નકર્તા : ખરાબ વિચાર તો મારે પણ આવે છે. દાદાશ્રી : હા, તે એનું દેવું છે. પ્રશ્નકર્તા : એ દેવું કેવી રીતે ભાંગવાનું ? દાદાશ્રી : એ તો બ્રહ્મચર્ય વ્રત પાળશો એટલે સરપ્લસ આવી જાય. બ્રહ્મચર્ય બધી જ ખોટ ભાંગે, તમામ પ્રકારની ખોટ ભાંગે. (પા. ૨૬૭)પ્રશ્નકર્તા : આમ પુષ્કળ વિચારો ખરાબ આવે તો ? એવી ઇચ્છા હોતી નથી, પણ સંજોગ ભેગા થાય કે વિચારો આવે ને કો’ક વખત સ્લિપ થઈ જવાય. દાદાશ્રી : ઇચ્છા તો તમારે હોય નહીં, પણ ચીકણી માટીમાં જશો તો પછી શું થાય ? એની મેળે સ્લિપ થઈ જાય. એટલે આ બધું પાછલું દેવું છે ને, તે પાછાં લોચા વાળે છે. એ લોચા પૂરા કરવાં પડશે ને ! ઇચ્છા તો અત્યારે ના જ હોય, પણ શું થાય ? પ્રશ્નકર્તા : એ કાચું પડ્યું કહેવાતું હશે ? દાદાશ્રી : એવું છે, કે બ્રહ્મચર્ય જેણે બગાડ્યું હોય, એનું બધું બગડ્યું. પ્રશ્નકર્તા : બધાની જોડે રહેવાનું થાય તો જલદી જલદી ખોટ પૂરાઈ જશે ને ? દાદાશ્રી : હા, જલદી બધી ખોટ પૂરી થઈ જશે. ખોટ પૂરી થઈ ગયા પછી તેજી આવે, નફો મળે. પછી તો વચનબળ હઉ ઉત્પન્ન થાય, જેવું બોલે એવું થાય. અત્યારે તો મહેનત કરે છે છતાં મહેનત નકામી જાય, અહીં આવવું હોય તોય મોડો પડે. અને મહીં પાછાં ટીમીડનેસ (ગભરામણ)ના વિચારો આવે, તે બધું કામ ગૂંચાઈ જાય. એટલે આ મન- વચન-કાયાથી સારી રીતે બ્રહ્મચર્ય પાળેને, તો દહાડે દહાડે ખોટ બધી પૂરી થઈ જ જાય. બ્રહ્મચર્ય સચવાય તો મોઢા પર કંઈક નૂર આવે. નૂર તો હોવું જ જોઈએ ને ? નહીં તો શી નાતના છે, તે જ ખબર ના પડેને ? બ્રહ્મચર્યથી નૂર આવે. કાળો-ગોરો જોવાનું નથી. ગમે તેવો કાળો હોય, પણ તેનામાં નૂર હોવું જોઈએ. નૂર વગરનાં માણસો શા કામનાં ? બ્રહ્મચર્યનું તેજ તો સામી ભીંત ઉપર પડે ! ફોરેનવાળા જુએ તો આમ જોઈને ખુશ થઈ જાય કે ઇન્ડિયન બ્રહ્મચારી આવ્યા, એવું હોવું જોઈએ. કોઈ ધોળો હોય, કોઈ કાળો હોય, એ નહીં જોવાનું. બ્રહ્મચર્ય જોવાનું. માટે એવું કંઈક કરો કે બ્રહ્મચર્ય વ્રત દીપે ! (પા. ૨૬૮)પ્રશ્નકર્તા : એટલે શું કરવાનું ? દાદાશ્રી : કરવાનું તો આપણામાં કશું હોતું જ નથી ને ! કરોમિ, કરોસિ ને કરોતિ તો આપણામાં કશું હોતું નથી, પણ વાતને સમજો હવે. પ્રશ્નકર્તા : અત્યારે કરીએ છીએ, એમાં મૂળ કઈ વસ્તુ ઘટે છે ? દાદાશ્રી : આ તમારી પહેલાંની ખોટો ખાધેલી. તે એ ખોટ પૂરી થાય એટલા માટે તમે જાગૃતિ રાખો કે ખોટ પૂરી થઈ જાય અને પછી સરપ્લસ વધે તો નફો દેખાય ! હું સોળ વર્ષનો હતો, તે ફળિયામાં આમ જતો હઉં, તે આવતાં-જતાંય લોકોને સંભળાય કે આ ભોંય ખખડે છે ! સોળ વર્ષનો હતો તોય જમીન એટલી બધી ખખડે ! તમને અમે એવું કહીએ છીએ કે સમજ રાખો કે પાછલી ખોટ શી રીતે જાય ? ભૂલ તો ભાંગવી જ પડશે ને ? કે આવું ને આવું ચાલવા દેવાનું ? જેને શુદ્ધાત્માનો વૈભવ જોવો હોય, તેને બ્રહ્મચર્યવ્રત અત્યંત હિતકારી છે. અમે પણ રિલેટિવમાં આ એક જ વ્રત માટે હેલ્પ કરીએ, બાકી અમે બીજામાં હાથ ઘાલીએ નહીં. આ જ્ઞાનમાં જો ખરું મદદ કરનારું હોય તો તે બ્રહ્મચર્ય જ છે. બ્રહ્મચર્ય પાળીશ તો દેવલોક ના ભોગવે એવું સુખ ભોગવીશ અને ના પળાય ને મહીં વચ્ચે લપસ્યો તો માર્યો જાય ! બ્રહ્મચર્ય વ્રત એ મહાન વ્રત છે અને એનાથી આત્માનો સ્પેશ્યલ અનુભવ થઈ જાય. જાણો ગંભીરતા, બ્રહ્મચર્ય વ્રતનીબ્રહ્મચર્ય વ્રત બધાને કંઈ લેવાની જરૂર હોતી નથી. એ તો જેને ઉદયમાં આવે. મહીં બ્રહ્મચર્યના ખૂબ વિચાર આવ્યા કરતા હોય, તે પછી વ્રત લે. જેને બ્રહ્મચર્ય વર્તે, તેના તો દર્શનની વાત જ જુદી ને ? કો’કને ઉદય આવે, તેના માટે જ બ્રહ્મચર્ય વ્રત છે. ઉદયમાં આવે નહીં તો ઊલટો વાંધો પડી જાય, લોચો પડી જાય. બ્રહ્મચર્ય વ્રત વરસ દહાડાનું લઈ શકાય કે છ મહિનાનું પણ લઈ શકાય. આપણને બ્રહ્મચર્યના ખૂબ જ વિચાર આવ્યા કરતા હોય, એ વિચારને આપણે દબાય દબાય કરીએ તોય વિચાર આવ્યા કરતા હોય તો જ બ્રહ્મચર્ય વ્રત માંગવું, નહીં તો આ બ્રહ્મચર્ય વ્રત (પા. ૨૬૯)માંગવા જેવું નથી. અહીં બ્રહ્મચર્ય વ્રત લીધા પછી વ્રત તોડવું એ મહાન ગુનો છે. તમને કંઈ કોઈએ બાંધ્યા નથી કે તમે વ્રત લો જ ! મહીં જો વ્રત લેવા માટે ઇચ્છાઓ બહુ કૂદાકૂદ કરતી હોય તો જ વ્રત લેવું. કો’ક દહાડો વ્રત ભંગ થાય તો જ્ઞાની તેની દવા હઉ બતાવે. વિષયનો ક્યારેય વિચાર ના આવે તે બ્રહ્મચર્ય મહાવ્રત. જો વિષય યાદ આવે તો વ્રત તૂટ્યું. અમે બ્રહ્મચર્ય માટે તમને આજ્ઞા આપીએ, તેમાં તમારી ભૂલચૂક થાય તો તેની જોખમદારી બહુ ભયંકર છે. તમે જો ભૂલચૂક ના ખાવ તો પછી બધું અમારી જોખમદારી પર ! તમે જે જે મારી આજ્ઞાપૂર્વક કરો તો તેમાં તમારી જોખમદારી નહીં અને મારી પણ જોખમદારી નહીં ! તમે આજ્ઞાપૂર્વક કરો એટલે તમારે અહંકાર ઊભો ના થાય. એટલે તમારી જોખમદારી નહીં અને તો પછી આજ્ઞા કરનારની જોખમદારી ખરી ને ?! પણ આજ્ઞા કરનાર સ્યાદ્વાદ હોય તો, એમને શી રીતે જોખમદારી આવે ? એટલે પોતે જોખમ લે નહીં, એવી આજ્ઞા કરે ! વ્રત એ કંઈ બજારું ચીજ છે ? વ્રત વગર માણસને બ્રહ્મચર્ય રહી શકે, પણ તે સહજ ભાવે હોય તો, નહીં તો મન કાચું પડી જાય. આ જ્ઞાન મળ્યા પછી સત્તા પોતાના હાથમાં આવી ગઈ, પરસત્તામાં હોવા છતાં સ્વસત્તામાં છે. જેનું મન બંધાયેલું નથી, તેનું મન પરસત્તામાં કામ કર્યા કરે. બંધાયેલા મન માટે તો દાદાનું વચનબળ કામ કરે, પેલા એવિડન્સ તોડી નાખે. જ્ઞાની પુરુષનું વચનબળ સંસારને ભજવાનું તોડી નાંખે. અહીં તો માંગો એ શક્તિ મળે એમ છે ! અહીં યાદ ના આવે તો ઘરે જઈને માંગો, દાદાને યાદ કરીને માંગો તો પણ મળે એમ છે. દાદાને કહીએ કે મારામાં શક્તિ હોત તો તમારી પાસે માંગત જ શું કરવા ? તમે શક્તિ આપો. દાદા ભગવાન તો માંગે એ શક્તિ આપે એમ છે ! આ તો બધું ટૂંકમાં કહેવાનું હોય. આને માટે કોઈ વિવેચન કરવાનું ના હોય. માર્ગ ઓપન થયો છે, તો કેમ ના માગવું ? આજીવન બ્રહ્મચર્ય, મંડાવે ક્ષપક શ્રેણીઓપ્રશ્નકર્તા : દાદાજી, આપ મને વિધિ કરી આપો. મારે આખી જિંદગીનું બ્રહ્મચર્ય વ્રત લેવું છે. (પા. ૨૭૦)દાદાશ્રી : તને અપાય તેવું છે અને તું પાળી શકે એવું સ્ટ્રોંગપણું તારામાં છે, છતાં અમે વિધિ કરી આપીએ ત્યાં સુધી આ ભાવના કરજે. દાદા તો ગણતરીવાળા છે, અનંત ગણતરીવાળા છે, એટલે હમણાં તું ભાવના કરજે પછી આપીશું. આ કાળમાં તો બ્રહ્મચર્ય આખી જિંદગીનું અપાય એવું નથી. આપવું એ જ જોખમ છે. વર્ષ દહાડાનું અપાય. બાકી આખી જિંદગીની આજ્ઞા લીધી અને જો એ પડે ને, તો પોતે તો પડે પણ આપણને પણ નિમિત્ત બનાવે. પછી આપણે મહાવિદેહ ક્ષેત્રમાં વીતરાગ ભગવાન પાસે બેઠા હોય તો ત્યાંય આવે ને આપણને ઉઠાડે ને કહેશે, ‘શું કામ આજ્ઞા આપી હતી ? તમને કોણે ડાહ્યા થવાનું કહ્યું હતું?’ તે વીતરાગની પાસેય આપણને જંપવા ના દે ! એટલે પોતે તો પડે પણ બીજાનેય ખેંચી જાય. માટે ભાવના કરજે અને અમે તને ભાવના કરવાની શક્તિ આપીએ છીએ. પદ્ધતિસરની ભાવના કરજે, ઉતાવળ ના કરીશ. ઉતાવળ એટલી કચાશ. અમે તો કોઈનેય એમ ના કહીએ કે બ્રહ્મચર્ય પાળજે, આ આજ્ઞા પાળજે. એમ કહેવાય જ કેમ ? આ ‘બ્રહ્મચર્ય એ શું વસ્તુ છે ?’ એ તો અમે જ જાણીએ છીએ ! તારી તૈયારી જો હોય તો વચનબળ અમારું છે, નહીં તો પછી જ્યાં છે ત્યાં જ પડી રહે ને ! જો આ બ્રહ્મચર્ય વ્રત લઈશ ને સંપૂર્ણ કરેક્ટ પાળીશ, તો વર્લ્ડમાં અજાયબ સ્થાન પ્રાપ્ત કરીશ અને અહીંથી સીધો એકાવતારી થઈને મોક્ષે જઈશ. અમારી આજ્ઞામાં બળ છે, જબરજસ્ત વચનબળ છે. જો તારી કચાશ ના હોય તો વ્રત તૂટે નહીં, એટલું બધું વચનબળ છે. આનું ફળ પછી શું આવે ? સર્વસંગ પરિત્યાગ ઉદયમાન થાય. એને ત્યાગ કહેવાતો નથી, એ ઉદયમાં આવે છે. ઉદય એટલે વર્તે ! એવો સર્વસંગ પરિત્યાગ ઉદયમાં આવે તો પછી એને વીતરાગોની પાટ માટે દીક્ષા અપાય. એવી દીક્ષા મળે તો બહુ શક્તિ ઉત્પન્ન થાય. દીક્ષાનો સ્વભાવ જ એવો છે. એવું ‘વ્યવસ્થિત’ પણ લાવ્યો હોય. બધાની ભાવના ફળે. અમારા તરફથી આશીર્વાદ મળે એટલે આ બધાની શક્તિ બહુ ઉત્પન્ન થાય. એવી જો દીક્ષા મળે તો વીતરાગ ધર્મનો ઉદ્ધાર થાય, વીતરાગ માર્ગ ઉત્થાનને પામે અને એ થવાનું છે! (પા. ૨૭૧)ત્યાં સુધી બધું મહીં તાવી જોવાનું કે ભાવના જગત કલ્યાણની છે કે માનની ? પોતાના આત્માને તાવી જુએ તો બધી ખબર પડે એવું છે. વખતે મહીં માન રહેલું હોય તોય એ નીકળી જશે. કારણ કે કોઈ પ્રધાનને બહાર બધું સારું હોય ને ઘરનો દુઃખી હોય તો એને સત્તા આપે તો એ લાખ-બે લાખ ખાઈ જાય, પણ પછી ધરાઈ જાયને ? અને આપણું તો આ વિજ્ઞાન છે, એટલે હવે જે માન રહ્યું તે નિકાલી માલ ને ! તે ધીમે ધીમે ખલાસ થઈ જશે, છતાં ત્યાં સુધી બધી જાગૃતિ રાખવી પડે. કોઈ ગાળો ભાંડે, અપમાન કરે તોય માન ના જાગવું જોઈએ. મારે તોય માન શાને માટે જાગે ? આપણે તો જાણવું જોઈએ કે સાત મારી કે ત્રણ ? જોરથી મારી કે હલકી ? એવું જાણવાનું. પોતાના સ્વભાવમાં તો આવવું પડશે ને ?! તમારે તો નક્કી કરવાનું સવારના, કે આજે પાંચ અપમાન મળે તો સારું ને પછી આખા દહાડામાં એકુંય ના મળ્યું તો અફસોસ રાખવાનો. તો માનની ગાંઠ ઓગળે. અપમાન થાય, તે ઘડીએ જાગૃત થઈ જવું. એક જ માણસ સાચો હોય તો જગત કલ્યાણ કરી શકે ! સંપૂર્ણ આત્મભાવના હોવી જોઈએ. એક કલાક ભાવના ભાવ ભાવ કરજે અને વખતે તૂટી જાય તો સાંધીને પાછું ચાલુ કરજે. આ ભાવના ભાવી છે તો ભાવનાનું જતન કરજે ! લોકોનું કલ્યાણ થાય એ માટે ત્યાગી વેષ, દીક્ષા લેવાની ઇચ્છા છે. મન બગડતું ના હોય પછી દીક્ષા લેવામાં વાંધો નહીં. જગતનું કલ્યાણ વધુ ક્યારે થાય ? ત્યાગમુદ્રા હોય ત્યારે વધારે થાય. ગૃહસ્થમુદ્રામાં જગતનું કલ્યાણ વધુ થાય નહીં, ઉપલક બધું થાય. પણ અંદરખાને બધી પબ્લિક ના પામે ! ઉપલકતામાં બધો મોટો મોટો વર્ગ પામી જાય, પણ પબ્લિક ના પામે. ત્યાગ આપણા જેવો હોવો જોઈએ. આપણો ત્યાગ એ અહંકારપૂર્વકનો નહીં ને ?! અને આ ચારિત્ર તો બહુ ઊંચું કહેવાય ! ‘હું શુદ્ધાત્મા છું’ એ નિરંતર લક્ષમાં રહે, એ મહાનમાં મહાન બ્રહ્મચર્ય. એના જેવું બીજું બ્રહ્મચર્ય નથી. છતાંય આચાર્યપદ પ્રાપ્ત કરવાના ભાવ મહીં હોય ત્યારે ત્યાં બહારનું બ્રહ્મચર્ય જોઈએ, ત્યાં લેડી ના ચાલે. જ્ઞાની પુરુષની આજ્ઞાથી ચારિત્ર લેવાનો વાંધો નથી, પણ જોડે જોડે (પા. ૨૭૨)ચારિત્ર લીધા પછી તે વસ્તુને એટલી બધી વિચારવી જોઈએ કે તે વિચારના અંતમાં પોતાનું જ મન એવું થઈ જાય કે વિષય એ તો બહુ જ ખોટી વસ્તુ છે. આ તો મહા-મહા મોહને લઈને ઉત્પન્ન થયેલી વસ્તુ છે. આ એકલું અબ્રહ્મચર્ય છોડે તો બધું આખું જગત આથમી જાય છે, હડહડાટ ! એક બ્રહ્મચર્ય પાળવાથી તો બધું આખું જગત જ ખલાસ થઈ જાય છે ને ! અને નહીં તો હજારો ચીજો છોડો, પણ એ કશું ભલીવાર આવે નહીં. ચારિત્રનું સુખ કેવું વર્તે !જ્ઞાની પુરુષની પાસે ચારિત્ર ગ્રહણ કરે, ખાલી ગ્રહણ જ કર્યું છે, હજી તો પળાયું જ નથી. ત્યારથી તો બહુ આનંદ છૂટે. તને કંઈ આનંદ છૂટ્યો છે ? પ્રશ્નકર્તા : છૂટ્યો છે ને, દાદા ! તે ઘડીથી જ મહીં આખો ઉઘાડ થઈ ગયો. દાદાશ્રી : લેતાંની સાથે જ ઉઘાડ થઈ ગયો ને ? લેતી વખતે એનું મન ક્લીયર જોઈએ. એનું મન તે વખતે ક્લીયર હતું, મેં તપાસ કરી હતી. આને ચારિત્ર ગ્રહણ કર્યું કહેવાય ! વ્યવહાર ચારિત્ર ! અને પેલું ‘જોવું’-‘જાણવું’ રાખીએ, તે નિશ્ચય ચારિત્ર ! ચારિત્રનું સુખ જગત સમજ્યું જ નથી. ચારિત્રનું સુખ જ જુદી જાતનું છે. અમે આ સ્થૂળ ચારિત્રની વાત કરીએ છીએ. એ ચારિત્ર જેને ઉત્પન્ન થાય, એ બહુ પુણ્યશાળી કહેવાય. આ છોકરાઓ બધાં કેટલાં પુણ્યશાળી કહેવાય ! એમણે બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા લીધેલી, તે એમને આનંદેય કેવો રહે ? પ્રશ્નકર્તા : આવો આનંદ તો મેં કોઈ કાળમાં જોયો ન હતો. નિરંતર આનંદ રહે છે ! દાદાશ્રી : અત્યારે આ કાળમાં લોકોનાં ચારિત્ર ખલાસ થઈ ગયાં છે. બધે સારા સંસ્કાર જ રહ્યા નથી ને ! આ તો અહીં આવી ગયાં, તે (પા. ૨૭૩)વળી આ જ્ઞાન મળ્યું એટલે રાગે પડ્યું છે. આ તો પુણ્યશાળી છે ! નહીં તો ક્યાંના ક્યાંય રખડી મર્યા હોત. ચારિત્રમાં માણસ જો બગડી જાય તો યુઝલેસ લાઈફ થઈ જાય. દુઃખી, દુઃખી થઈ જાય ! વરીઝ, વરીઝ, વરીઝ ! રાત્રે ઊંઘમાંય વરીઝ ! આ તો એમને બહુ આનંદ રહે. પ્રશ્નકર્તા : હા, પહેલાં તો જીવવા જેવું જ ન હતું. દાદાશ્રી : એમ ?! હવે જીવવા જેવું લાગે ?! ઘરનાં બધાંની ઇચ્છા હોય કે છોકરો ચારિત્ર લે, તો એ એના ‘વ્યવસ્થિત’માં એવું છે એમ સમજાય. એ જ પુરાવો છે. અમે આમાં હાથ ના ઘાલીએ પછી. ‘વ્યવસ્થિત’માં હોય તો જ ઘરનાને બધાંને ઇચ્છા રહે. કોઈની પણ બૂમ હોય તો ‘વ્યવસ્થિત’ ફેરવાળું લાગે. કારણ કે ‘વ્યવસ્થિત’ એટલે શું ? કોઈની બૂમ નહીં. બધા લીલો વાવટો ને લીલો વાવટો જ ધરે, તો જાણવું કે ‘વ્યવસ્થિત’ છે. બ્રહ્મચર્યની આજ્ઞા મળ્યા પછી કોઈ બોમ્બ ફેંકવા આવે તો આપણે સાબદા થઈ જવું. આ આજ્ઞા મળી છે, એ તો બહુ જ મોટી વસ્તુ છે ! આ આજ્ઞા પાછળ દાદાની ખૂબ શક્તિ વપરાય છે. જો તમારો નિશ્ચય ના છૂટે તો દાદાની શક્તિ તમને હેલ્પ કરે ને તમારો નિશ્ચય છૂટી જાય તો દાદાની શક્તિ ખસી જાય. બ્રહ્મચર્ય તો બહુ મોટો ખજાનો છે ! લોક તો લૂંટી જાય. નાના છોકરાંને બોર આપીને કલ્લઈ કાઢી લે, તેના જેવું છે. બોરની લાલચમાં છોકરું ફસાય ને કલ્લઈ આપી દે, એમ જગત લાલચમાં ફસાયું છે. બ્રહ્મચર્યવ્રત લીધા પછી આનંદ બહુ વધી ગયો છે ને? આ અવ્રતને લઈને જ આ બધી ભાંજગડ ઊભી થઈ છે, એનાથી આત્માના સાચા સ્વાદની સમજણ પડતી નથી. મહાવ્રતનો આનંદ તો જુદો જ ને ! આનંદ તો પછી બહુ વધે, પુષ્કળ આનંદ થાય ! નફો ખાવો કે ખોટ અટકાવવી ?પ્રશ્નકર્તા : વિષયથી છૂટ્યો ક્યારે કહેવાય ? (પા. ૨૭૪)દાદાશ્રી : એને પછી વિષયનો એકેય વિચાર ના આવે. વિષયસંબંધી કોઈ પણ વિચાર નહીં, દ્રષ્ટિ નહીં, એ લાઈન જ નહીં. એ જાણે જાણતો જ ના હોય એવી રીતે હોય, એ બ્રહ્મચર્ય કહેવાય. પ્રશ્નકર્તા : જેમ બાલ્યાવસ્થા હોય છે એવું ! દાદાશ્રી : નહીં, જેમ કોઈ વસ્તુથી તમે અજાણ્યા હોય, તેનો વિચાર તમને ના આવ્યો હોય, એના જેવું હોય. માંસાહાર કોઈ દહાડો ખાતો ના હોય, એને માંસાહારના વિચાર આવે જ નહીં. એ બાજુ દ્રષ્ટિ જ ના હોય ને એ બાજુ કશું જ ના હોય. પ્રશ્નકર્તા : અમને એ દશા ક્યારે આવશે ? દાદાશ્રી : ક્યારે આવશે, એ જોવાનું નહીં. આપણે ચાલ ચાલ કરોને, એટલે એની મેળે ગામ આવશે. ચાલવાથી ગામ આવે, બેસી રહેવાથી ગામ ના આવે. રસ્તો જ્ઞાની પુરુષે દેખાડેલો છે અને એ રસ્તો તમે પકડી લીધો છે. હવે ક્યારે આવશે એ કહીએ તો થાક લાગી જાય. માટે ચાલ ચાલ જ કરો ને ! તો એની મેળે આવશે. તમારા જેવી સમાધિ મોટા મોટા સંતોને ના રહે એવું છે. પછી આથી વધારે સુખ શું જોઈએ ? પ્રશ્નકર્તા : તોય હજુ બાકી જ છે ને ? દાદાશ્રી : આપણને જે મળ્યું તે સાચું. ભગવાનનો કાયદો કેવો છે ? જે મળ્યું, એને ભોગવતો નથી. અને ના મળ્યું, તેની ભાંજગડ કરે છે, તે મૂર્ખ માણસ છે. આગળ વધવાના પ્રયત્નો તો ચાલુ જ છે, એનો બોજો રાખવાની જરૂર નથી. આપણે ચાલતાં હોઈએ અને પછી કહીએ કે, ‘ક્યારે ગામ પહોંચાશે, ક્યારે ગામ પહોંચાશે ?’ તો શું થાય ?! અલ્યા, તું ચાલે તો છે જ, હવે શું કરવા બોલ બોલ કરે છે ? ચાલવાનો આનંદ આવે તો જોવાનું મન થાય કે ‘આ આંબો, આ જાંબુડો’ એમ નિરાંતે બધું જોઈએ, પણ પેલું તો ‘ક્યારે પહોંચાશે, ક્યારે પહોંચાશે ?’ કર્યા કરે ને, પછી આનંદ ના રહે. (પા. ૨૭૫)પ્રશ્નકર્તા : વ્રત લીધે બે-બે વર્ષ થયાં, તોય પણ આમ બહાર એવું કંઈ પરિણામ જેવું નથી દેખાતું. દાદાશ્રી : એ તો તમારે પાર વગરની ખોટો છે ને ! પ્રશ્નકર્તા : પણ તે કેટલી ખોટો ? દાદાશ્રી : ખોટો બહુ જબરજસ્ત ! છતાં હવે તો જગત જીતી લેવાનું છે. આપણું પદ તો એની મેળે દહાડે દહાડે આવ્યા જ કરે છે. પ્રશ્નકર્તા : ઘણી વાર એવું થાય કે ધીમે ધીમે ક્યારે પાર આવશે ? આ મહિનો તો ગયો. એમાં કંઈ પ્રોગ્રેસ થયો નથી. દાદાશ્રી : તારે પ્રોગ્રેસ ના જોવો, પણ નુકસાન થાય એવાં કોઈ સાધનો ઊભાં થઈ ગયાં છે કે નથી થયાં, તે જોવું. નફો તો નિરંતર થયા જ કરે છે. આત્માનો સ્વભાવ છે નફાનો ! પ્રોગ્રેસેય આત્માનો સ્વભાવ છે. તમારે તો ફક્ત જાગૃતિ જ રાખવાની કે પડી ના જવાય. ને નીચે ગયું હોય, તેને સમું કરવા માટે ‘ફુલ’ ‘ફેસ’માં, મશીનરીઓ ને લશ્કર-બશ્કર બધું સાથે તૈયારી કરો ! આપણી સેફસાઈડ રહે, એ પ્રમાણે ચાલ્યા જ કરવું. આપણી ટ્રેન મોશનમાં રહ્યા જ કરે એવું રાખ્યા કરવાનું. આ વિષયના બોમ્બ એકલાં બહુ ભારે, એનો એક મિનિટ પણ વિશ્વાસ રખાય નહીં. (પા. ૨૭૬)[15] ‘વિષય’ સામે વિજ્ઞાનની જાગૃતિઆકર્ષણ સામે ખપે પોતાનો વિરોધપ્રશ્નકર્તા : ‘‘સ્ત્રી પુરુષના વિષય સંગતે, કરાર મુજબ દેહ ભટકશે, માટે ચેતો મન-બુદ્ધિ.’’ આ સમજાવો. કારણ કે આપે કહેલું, કે દરેક પોતપોતાની ભાષામાં લઈ જાય, તો આમાં ‘જેમ છે તેમ’ શું હોવું ઘટે ? દાદાશ્રી : જ્યાં આકર્ષણ થયું, તે આકર્ષણમાં તન્મયાકાર થયો, તે ચોંટ્યો. આકર્ષણ થયું, પણ આકર્ષણમાં તન્મયાકાર ના થાય તો ચોંટે નહીં. પછી આકર્ષણ થાય તેનો વાંધો નહીં. પ્રશ્નકર્તા : એ વસ્તુ પોતાને સમજાય કેવી રીતે કે આમાં પોતે તન્મયાકાર થયો છે ? દાદાશ્રી : ‘આપણો’ એમાં વિરોધ હોય, ‘આપણો’ વિરોધ એ જ તન્મયાકાર ન થવાની વૃત્તિ. ‘આપણે’ વિષયના સંગમાં ચોંટવું નથી, એટલે ‘આપણો’ વિરોધ તો હોય જ ને ? વિરોધ હોય એ જ છૂટું અને ભૂલેચૂકે ચોંટી જાય, ગોથું ખવડાવીને ચોંટી જાય, તો પાછું તેનું પ્રતિક્રમણ કરવું પડે. પ્રશ્નકર્તા : પોતાનો વિરોધ નિશ્ચયે કરીને તો છે જ, છતાં પણ એવું બને છે કે ઉદય એવાં આવે કે એમાં તન્મયાકાર થઈ જવાય, એ શું છે ? (પા. ૨૭૭)દાદાશ્રી : વિરોધ હોય તો તન્મયાકાર થવાય નહીં અને તન્મયાકાર થયા તો ‘ગોથું ખાઈ ગયા છે’ એમ કહેવાય. તો એવું ગોથું ખાય, તેના માટે પ્રતિક્રમણ છે જ. પણ ગોથું ખાવાની ટેવ ના પાડવી, ગોથું ખાવાના ‘હેબીચ્યુએટેડ’ ના થવું. માણસ જાણી-જોઈને લપસી પડે ખરો ? અહીં ચીકણી માટી હોય, કાદવ હોય ત્યાં લોકોને જાણી-જોઈને લપસવાની ટેવ હોય કે ના હોય ? લોક શાથી લપસી જતાં હશે ? પ્રશ્નકર્તા : એ માટીનો સ્વભાવ ને માટી ઉપર પોતે ચાલ્યો, તેથી. દાદાશ્રી : માટીનો સ્વભાવ તો એ પોતે જાણે છે. એટલે પછી પગના આંગળા દબાવી દે, બીજા બધા પ્રયત્નો કરે. બધી જાતના પ્રયત્નો કરવા છતાંય પડી જાય, લપસી પડે, તો એનાં માટે ભગવાન એને રજા આપે છે. તે પછી એવી ટેવ પાડી દે, તો શું થાય ?! પ્રશ્નકર્તા : ટેવ નહીં પડવી જોઈએ. દાદાશ્રી : લપસી પડાયું એ તો આપણા હાથમાં, કાબૂમાં ના રહ્યું. તેથી સૌથી સારામાં સારું તો ‘આપણો’ વિરોધ, જબરજસ્ત વિરોધ ! પછી જે થાય એના જોખમદાર ‘આપણે’ નથી. તું ચોરી કરવાનો તદ્દન વિરોધી હોઉં, પછી તારાથી ચોરી થઈ જાય તો તું ગુનેગાર નથી. કારણ કે તું વિરોધી છે. પ્રશ્નકર્તા : આપણે વિરોધી છીએ જ, છતાં પણ એ જે ચૂકાય છે, એ વસ્તુ શું છે ? દાદાશ્રી : પછી ચૂકાય છે, તેનો સવાલ નથી. એ ચૂક્યાનો વાંધો ભગવાનને ત્યાં નથી. ભગવાન તો ચૂક્યાની નોંધ નથી કરતા. કારણ કે ચૂક્યાનું ફળ તો એને તરત જ મળી જાય છે. એને દુઃખ તો થાય છે ને ? નહીં તો એ શોખની ખાતર કરતો હોય તો, એને આનંદ થાય. પ્રશ્નકર્તા : આ વિષયની બાબતમાં પોતાનું ડહાપણ કેટલું ચાલે ? દાદાશ્રી : જ્ઞાન મળ્યું હોય તો બધુંય ડહાપણ ચાલે. (પા. ૨૭૮)પ્રશ્નકર્તા : જ્ઞાન મળ્યું હોય તોય કેટલેક અંશે પ્રકૃતિ ભાગ તો ભજવે ને ? દાદાશ્રી : ના. જ્ઞાનથી પ્રકૃતિ નિર્મળ થાય. વિષયમાં પોતાનું સહમતપણું ના હોય તો નિર્મળ થાય. પ્રશ્નકર્તા : વિષયમાં સહમતપણું નથી હોતું તોય ખેંચાય છે. દાદાશ્રી : એ ખેંચાય. એ ખેંચાય તેય બધું જાણવું જોઈએ. અને સ્ટ્રોંગ નિશ્ચય કોઈ દહાડો કર્યો નથી. પ્રશ્નકર્તા : કાયમ ચૂકાય નહીં એવું જોઈએ. દાદાશ્રી : આપણો તો નિશ્ચય હોવો જોઈએ કે આમ આ અમારો નિશ્ચય છે. પછી કુદરત કરે, તે આપણા હાથના ખેલ નથી. એ સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ છે, એમાં કોઈનુંય ના ચાલે. પ્રશ્નકર્તા : એનો અર્થ તો એ થયો કે એવાં સંજોગો જ મારે ના ઊભા થાય. પણ એ કેમ બને ? દાદાશ્રી : એવું બને જ નહીં ને ! જગત છે, સંસાર છે, ત્યાં સુધી એવું બની ના શકે. એવું બને ક્યારે ? કે તમે જેમ જેમ આગળ જતાં જશો એમ એવાં સંજોગો ઓછા થતાં જશે, તેમ તેમ એ જગ્યાએ ભૂમિકા એની મેળે જ આવશે. જ્ઞાનીની ભૂમિકા એવી હોય ને સેફસાઈડ હોય ! એમના સંજોગો બધા પાંસરા હોય. પ્રશ્નકર્તા : એમનું વ્યવસ્થિત એવી રીતે ઘડાયું હોય ? દાદાશ્રી : હા, એવું ઘડાયું હોય. પણ તે એકદમ આમ ના બની શકે. તમારા તો હજી ઘણાં માઈલો જશે, ત્યારે એ રોડ આવશે. બધેય કંઈ ખેંચાણ થાય નહીં. તારે કેટલી જગ્યાએ ખેંચાણ થાય ? ‘સો’માંથી એંસી જગ્યાએ ખેંચાણ થાય ? પૂર્વે ચૂકેલાં, તેનાં ફળ આપ્રશ્નકર્તા : એ કેવું છે કે આમ દ્રષ્ટિ પડી કે અંદર ઊભું થાય, (પા. ૨૭૯)પછી દ્રષ્ટિ ના ગઈ તો કશુંય નહીં. પણ એક વખત આમ જોવાય તો અંદર પેલાં ચંચળ પરિણામ ઊભાં થાય. દાદાશ્રી : દ્રષ્ટિ, એ વસ્તુ ‘આપણા’થી જુદી છે. તો પછી દ્રષ્ટિ પડે, તેમાં આપણને શું થયું ? પણ આપણે મહીં ચોંટવા ફરીએ, ત્યારે દ્રષ્ટિ શું કરે બિચારી ?! આ હોળીને જો પૂજવા જઈએ છીએ, તો ત્યાં આપણી આંખ દાઝે ખરી ? એટલે હોળીને જોવાથી કંઈ આંખ દાઝતી નથી. કારણ કે આપણે ખાલી એને જોઈએ જ છીએ. એવી રીતે આ જગતમાં કોઈ જગ્યાએ આકર્ષણ થાય એવું જ નથી, પણ પોતાની મહીં જ જો વાંકું છે તો આકર્ષણ થાય ! પ્રશ્નકર્તા : બે જાતની દ્રષ્ટિ છે; એમાં એક દ્રષ્ટિ એવી છે કે આપણે જોઈએ કે ચામડીની નીચે લોહી-માંસ-હાડકાં છે, એમાં આકર્ષણ શું ? અને બીજી દ્રષ્ટિ એ કે એનામાં શુદ્ધાત્મા છે અને મારામાં શુદ્ધાત્મા છે. એ બેમાં કઈ દ્રષ્ટિ ઊંચી ગણાય ? દાદાશ્રી : એ તો બેઉ દ્રષ્ટિ રાખવી પડે. એ શુદ્ધાત્મા છે, એ દ્રષ્ટિ તો આપણને છે જ. અને પેલી બીજી દ્રષ્ટિ તો જરા જો આકર્ષણ થાય તો જેમ છે એમ રાખવી જોઈએ, નહીં તો મોહ થઈ જાય. પ્રશ્નકર્તા : હા, બરાબર છે. હું પણ શુદ્ધાત્મા ને એ પણ શુદ્ધાત્મા એવું હોય, તો બીજું જે આકર્ષણ છે તે રહેતું નથી. દાદાશ્રી : ના રહે, પણ એટલી બધી જાગૃતિ ના રહે. જ્યારે આકર્ષણ થાય ત્યારે શુદ્ધાત્મા ભૂલી જાય. શુદ્ધાત્મા ભૂલે તો જ એને આકર્ષણ થાય, નહીં તો આકર્ષણ થાય નહીં. તેથી તો અમે તમને એવું જ્ઞાન આપ્યું છે કે તમને આત્મા દેખાય. પછી કેમ મોહ થાય છે ?! આપણે આકર્ષણ ના કરવું હોય તોય આંખ ખેંચાઈ જાય. આપણે આમ આંખ દબાવ દબાવ કરીએ તોય પેલી બાજુ જતી રહે ! પ્રશ્નકર્તા : એવું શા માટે થાય ? એ જૂના પરમાણુ છે એટલે ? દાદાશ્રી : ના, પૂર્વે આપણે ચૂક ખાધી છે, પૂર્વે તન્મયાકાર થવા (પા. ૨૮૦)દીધું છે, તેનું આ ફળ આવ્યું છે. તો હવે એ આકર્ષણમાં ફરી તન્મયાકાર ના થાય ને એનું પ્રતિક્રમણ કરી પેલી ચૂક કાઢી નાખવાની. અને ફરી તન્મયાકાર થાય એટલે નવી ચૂક ખાધી, તો એનું ફળ આવતે ભવ આવશે. એટલે તન્મયાકાર ના થાય એવું આ વિજ્ઞાન છે આપણું !! સામામાં શુદ્ધાત્મા જ જો જો કર્યા કરવા અને બીજું દેખાય ને ખેંચાણ થાય તો પ્રતિક્રમણ કરવું, તે સિવાય ભય-સિગ્નલ જ છે. બીજું બધું તમારે સમભાવે નિકાલ કરવો. આમાં તો સામો જબરજસ્ત મોટી ફરિયાદ કરનારો છે, માટે ચેતજો. અમે એ ચેતવણી આપીએ. પ્રશ્નકર્તા : આ જ લોચો પડે છે ને ! ત્યાં જુઓ શુદ્ધાત્મા જદાદાશ્રી : તો તું ચેતવણી રાખતો નથી ? પ્રશ્નકર્તા : ચેતવણી તો રાખું છું ને, પણ આ તો નિરંતર ચેતવાનું છે. દાદાશ્રી : તોય પણ જ્યાં આગળ આપણને ખેંચાણ ના કરવું હોય છતાંય ખેંચાણ થયા કરે તો એ પહેલાંની, ગયા અવતારની ભૂલ છે એ નક્કી થઈ ગયું. નવેસરથી ખેંચાણ થાય એ વસ્તુ આપણને સમજાય કે જો આપણે ના જોવું હોય તો ના જોઈ શકાય, એવું રહેવું જોઈએ. પણ આ તો જૂનું છે, એટલે ત્યાં તો આપણે ના જોવું હોય તોય ખેંચાઈ જવાય. પ્રશ્નકર્તા : આ જગ્યાએ પુરુષાર્થ કરવાનો રહ્યો. જાગૃતિ રાખવી એ પુરુષાર્થ ? દાદાશ્રી : હા, જાગૃતિ રાખવી. તું રાખે છે એટલી બધી જાગૃતિ ? પ્રશ્નકર્તા : ત્યાં જ પુરુષાર્થ છે આખો. દાદાશ્રી : એમ ?! તને સમજણ પડે કે આ ગયા અવતારની ભૂલ છે એવું ? શું ખબર પડે ? તારે એવું અનુભવમાં આવેલું ? પ્રશ્નકર્તા : હા, એટલે પોતાની જાગૃતિ હોય કે આ દોષ થયો. હવે (પા. ૨૮૧)તેને ધોઈને પોતે તૈયાર હોય, પોતે એનાથી છૂટો થયો. પણ પાછું સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થાય, નિમિત્ત ભેગું થાય એટલે પાછી વિષયની ગાંઠ ફૂટે જ. પોતાની જબરજસ્ત તૈયારી હોય કે ઉપયોગ ચૂકવો નથી, પણ ‘પેલું’ ફૂટે. પછી પાછું ધોઈ નાખવાનું, પણ પેલું પાછું ઊભું થાય ખરું ! દાદાશ્રી : એટલે આ ઇન્દ્રિયજ્ઞાનનો સ્વભાવ એવો છે કે સામું બહુ આકર્ષણવાળું હોય અને રાગી સ્વભાવનું હોય તો, તે આપણી આંખોમાં ધૂળ નાખે. તે ઘડીએ બહુ જાગૃત રહેવું પડે. આપણે જાણીએ કે આ નથી જોવું તોય ખેંચાણ કેમ થાય છે ? ત્યાં આગળ આપણે શું કરવું જોઈએ કે શુદ્ધાત્મા જ જો જો કરવા જોઈએ. પ્રશ્નકર્તા : તે વખતે પાછું પ્રત્યાખ્યાન કરવું જોઈએ ? દાદાશ્રી : પ્રતિક્રમણેય કરવાનું ને પ્રત્યાખ્યાનેય કરવાનું, બેઉ કરવાનું. પ્રતિક્રમણ શેને માટે કરવાનું કે પૂર્વભવે કંઈક જોયું છે, તેથી જ આ ઉત્પન્ન થયું છે. આ સંજોગ ક્યાંથી બાઝયો ? નહીં તો દરેકને કોઈ જોતું નથી. આ તો જોવાનું મળ્યું તે મળ્યું, પણ એમાંથી આકર્ષણના પ્રવાહ કેમ વહે છે ? માટે પૂર્વભવનો હિસાબ છે, તે આ ભવમાં પ્રતિક્રમણ કરવાં પડે. વિષય વિકારી જે જે ભાવો કર્યા હોય, ઇચ્છા, ચેષ્ટા, સંકલ્પ-વિકલ્પ કર્યા હોય એ બધાંનું પ્રતિક્રમણ કરવું પડે અને પછી પ્રત્યાખ્યાન કરવું પડે અને પાછાં એમનો શુદ્ધાત્મા જ જો જો કરવો પડે. પુદ્ગલ સ્વભાવ જ્ઞાને કરીને...પુદ્ગલનો સ્વભાવ જો જ્ઞાને કરીને રહેતો હોય, તો તો પછી આકર્ષણ થાય એવું છે જ નહીં. પણ પુદ્ગલનો સ્વભાવ જ્ઞાને કરીને રહેતો હોય, એવું હોય જ નહીંને કોઈ માણસને ! પુદ્ગલનો સ્વભાવ અમને તો જ્ઞાને કરીને રહે. પ્રશ્નકર્તા : પુદ્ગલનો સ્વભાવ જ્ઞાને કરીને રહે તો આકર્ષણ ના રહે, એ ના સમજાયું. (પા. ૨૮૨)દાદાશ્રી : એટલે શું કે કોઈ સ્ત્રીએ કે પુરુષે ગમે તેવાં કપડાં પહેર્યાં હોય તો કપડાં રહિત દેખાય, તે જ્ઞાને કરીને ફર્સ્ટ દર્શન. બીજું, સેકન્ડ દર્શન એટલે શરીર પરથી ચામડી ખસી જાય તેવું દેખાય અને થર્ડ દર્શન એટલે બધું જ અંદરનું દેખાડે એવું દેખાય. પછી આકર્ષણ રહે ખરું ? એવું તને રહે છે ? પ્રશ્નકર્તા : એવો અભ્યાસ દહાડે દહાડે વધતો જાય છે. દાદાશ્રી : ત્યારે સારું. એવો અભ્યાસ કરે, તે સારું કહેવાય. આમ દ્રષ્ટિ નિર્મળ કરાયકોઈ સ્ત્રી ઊભેલી હોય તેને જોઈ, પણ તરત દ્રષ્ટિ પાછી ખેંચી લીધી. છતાં તે પછી દ્રષ્ટિ તો પાછી ત્યાં ને ત્યાં જ જતી રહે, આમ દ્રષ્ટિ ત્યાં જ ખેંચાયા કરે એ ‘ફાઈલ’ કહેવાય. એટલે આટલી જ ભૂલ આ કાળમાં સમજવાની છે. પાછલી જે ફાઈલ ઊભી થઈ હોય, જરાક નાની અમથી પણ ‘ફાઈલ’, કે જે આપણને આકર્ષણ કરે એવી હોય, એવી આપણને ખબર પડે કે આ ‘ફાઈલ’ છે; ત્યાં આગળ ચેતતા રહેવું. હવે ચેતીને બીજું શું કરવાનું ? જેને શુદ્ધાત્મા જોતાં આવડ્યો છે, એણે એના શુદ્ધાત્મા જો જો કરવાના. એનાથી એ આખુંય બધું ઊડી જાય. પ્રશ્નકર્તા : સાથે સાથે પ્રતિક્રમણ ને પ્રખ્યાખ્યાન રાખવાનું ને ? દાદાશ્રી : હા, એ તો કરવું જ પડે ને ! પ્રશ્નકર્તા : આકર્ષણની ફાઈલ એ કંઈ ‘કન્ટીન્યુઅસ’ નથી રહેતી. પણ આ આકર્ષણ ઊભું થાય, જેમ અહીં લોહચુંબક હોય ને આ ટાંકણીનું અહીંથી પસાર થવું ને ખેંચાઈ જાય, પણ તરત ખબર પડી કે ખેંચાઈ ગયું એટલે પાછું તરત ખેંચી લઈએ. દાદાશ્રી : જે ખબર પડે છે એ આ ‘જ્ઞાન’ને લઈને ખબર પડે છે, નહીં તો બીજો તો બેભાન થઈ જાય. આ ‘જ્ઞાન’ને લઈને ખબર પડે છે (પા. ૨૮૩)એટલે પછી આપણે એનું પ્રતિક્રમણ કરવું પડે. પછી આપણે નિર્મળ દ્રષ્ટિ દેખાડવી જોઈએ. આપણામાં રોગ હોય તો જ સામો માણસ આપણો રોગ પકડે ને ? અને આપણી નિર્મળ દ્રષ્ટિ દેખે તો ? દ્રષ્ટિ નિર્મળ કરવી, એ આવડે કે ના આવડે ? પ્રશ્નકર્તા : વધારે ફોડ પાડો કે કેવી રીતે દ્રષ્ટિ નિર્મળ કરવી ? દાદાશ્રી : ‘હું શુદ્ધાત્મા છું’ એ જાગૃતિમાં આવી જાય, પછી દ્રષ્ટિ નિર્મળ થઈ જાય. ના થઈ હોય તો શબ્દથી પાંચ-દસ વખત બોલીએ કે, ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું’ તોય પાછું આવી જાય અથવા ‘દાદા ભગવાન જેવો નિર્વિકારી છું, નિર્વિકારી છું’ એમ બોલીએ તોય પાછું આવી જાય. એનો ઉપયોગ કરવો પડે, બીજું કશું નહીં. આ તો વિજ્ઞાન છે, તરત ફળ આપે અને જરાક જો ગાફેલ રહ્યો તો બીજી બાજુ ઉડાડી મારે એવું છે ! બીજી કોઈ વસ્તુ નડે એવી નથી. સ્ત્રી આપણને અડી અને પછી મહીં આપણો ભાવ બદલાયો ત્યાં જાગૃતિ રાખવી. કારણ કે સ્ત્રી જાતિના પરમાણુ જ એવા છે કે સામાના ભાવ બદલાઈ જ જાય. આ તો અમે હાથ મૂકીએ તો એને વિચાર આવ્યો હોય તેય ઊલટો બદલાઈ જાય, એનાં એવાં ખરાબ વિચાર ઊડી જાય ! વિષયની યોજના સિવાય બીજી બધી યોજનાઓ વખતે ભાંગફોડ કરે તો ચલાવી લેવાશે. કારણ કે બીજી બધી મિશ્રચેતન જોડેની યોજનાઓ નથી; જ્યારે આ વિષયની યોજના એ મિશ્રચેતન જોડેની યોજના છે. આપણે છોડી દઈએ તોય સામો દાવો માંડે તો શું થાય ? માટે અહીં ચેતતા રહેવાનું કહ્યું. બીજામાં ગાફેલ રહ્યા તો ચાલશે. ગાફેલનું ફળ એ કે જાગૃતિ જરા ઓછી રહેશે. પણ આ વિષય તો બહુ મોટામાં મોટું જોખમ, સામો જે સ્થાને જવાનો હોય, એ સ્થાને આપણને લઈ જાય !! આપણા જ્ઞાન સાથે હવે એ સ્થાનમાં આપણને શી રીતે પોષાય ? એક બાજુ જાગૃતિ ને એક બાજુ આ વળગણ, એ શી રીતે પોષાય ? પણ તોય હિસાબ ચૂકવવો પડે. (પા. ૨૮૪)પ્રશ્નકર્તા : એ રૂપકમાં તો આવે ને ? દાદાશ્રી : હા, એ કેવું રૂપકમાં આવે, કે એ સ્ત્રી આપણી બીજા ભવમાં મધર થાય, વાઈફ થાય, જો એક જ કલાકનું વિષયસંબંધી એનાં માટે ધ્યાન કરે તો ?! એવું છે આ ! આ એકલું જ આપણે ચેતતા રહેવા જેવું છે ! બીજા કશામાં ચેતવાનું નથી કહેતા. વિચાર ધ્યાનરૂપ તો નથી થતાં ને ?વિષયનો વિચાર મહીં ઊગે તો શું કરવું ? આ ખેડૂતોનો એવો રિવાજ છે કે જમીનમાં કપાસ ને બધું આવડું આવડું ઊગી જાય ત્યાર પછી મહીં જોડે બીજી વસ્તુ ઘાસ કે વેલા ઊગી ગયા હોય તો, તેને તે કાઢી નાખે. એને નીંદી નાખવાનું કહે છે. કપાસ સિવાય બીજો કોઈ પણ જાતનો છોડવો દેખાય કે તરત તેને ઉખેડીને ફેંકી દે. એવી રીતે આપણે વિષયના વિચારો એકલાં જ ઊગતાંની સાથે તરત ઉખેડીને ફેંકી દેવા, નહીં તો આવડો મોટો છોડવો થયા પછી એને પાછાં ફળ આવે, એ ફળમાંથી પાછાં બીજ પડે. એટલે આને તો ઊગતાં જ ઉખેડી નાખવો, ફળ આવતાં પહેલાં જ ઉખેડી નાખવો. પ્રશ્નકર્તા : એ કેવી રીતે ? દાદાશ્રી : આપણને મહીં વિચાર બદલાયો, તે ના ખબર પડે કે શાનો વિચાર અત્યારે શરૂ થયો ? તે વિચાર આવ્યા પછી, એને લંબાવવા ના દેવું. એ વિચાર ધ્યાનરૂપ ના થવો જોઈએ. વિચાર ભલે આવે. વિચાર તો મહીં છે એટલે આવ્યા વગર રહે જ નહીં. પણ તે ધ્યાનરૂપ ના થવું જોઈએ. ધ્યાનરૂપ થાય, તે પહેલાં જ વિચારને ઉખેડીને ફેંકી દેવો. પ્રશ્નકર્તા : ધ્યાનરૂપ એટલે કેવી રીતે ? દાદાશ્રી : એનાં એ જ વિચારમાં રમણતા કરવી, એનું નામ ધ્યાનરૂપ થયું કહેવાય. એક જ વિચારમાં તમે રમણતા કરો, એ એનું ધ્યાન કહેવાય. એનું પછી બહાર બેધ્યાનપણું થાય, તેવા બહાર બેધ્યાનપણાવાળા નથી હોતા માણસ ? તારું ધ્યાન ક્યાં છે, એવું લોક ના પૂછે ? તે આપણે (પા. ૨૮૫)જાણીએ કે ધ્યાન અહીં આગળ છે. જ્યાં ‘દાદા’એ ના કહ્યું હતું, ત્યાં છે. એના એ જ વિચારમાં રમણતા ચાલે, એ ધ્યાન કહેવાય. એ ધ્યાન પછી એને ધ્યેય સ્વરૂપે થઈ જાય. એ વિચારોનું ધ્યાન થયું, પછી આપણું ચાલે જ નહીં. ધ્યાન ના થયું તો કશો વાંધો નથી. પ્રશ્નકર્તા : ધ્યાનરૂપ ના થયું અને એ નીંદાઈ ગયું, એ કેવી રીતે ખબર પડે ? દાદાશ્રી : આપણે ઊગતાં જ એ વસ્તુ ફેંકી દેવાની અને પછી આગળ એ વિચારધારા ફેરવી નાખવી પડે, બીજી મૂકી દેવી પડે. નહીં તો પછી જાપ ચાલુ કરવા પડે. એ ટાઈમ ગયો એટલે પછી એની મુદત ગઈ. હંમેશાં દરેક વસ્તુને ટાઈમ હોય છે કે સાડાસાતથી આઠ સુધી આવાં વિચાર આવે. એ ટાઈમ કાઢી નાખીએ, પછી આપણને ભાંજગડ ના આવે. જોવાથી ઓગળે, ગાંઠો વિષયનીપ્રશ્નકર્તા : પણ ગાંઠો તો જોવાથી ઓગળે ને ? તો આપણે આ બીજી બાજુ જોઈએ, તો પેલી ગાંઠો જોવાની રહી જાય ને ? દાદાશ્રી : એ તો તમારામાં જો શક્તિ હોય તો નવો ઉપયોગ બીજી બાજુ ના મૂકીને એને જ જુઓ. ના શક્તિ હોય તો નવો ઉપયોગ બીજી બાજુ બદલીને મૂકી દો. પ્રશ્નકર્તા : એટલે બન્ને શક્ય છે ? દાદાશ્રી : શક્ય જ છેને વળી ! આ બાજુ નવો ઉપયોગ મૂકી દે. એટલે તું એવું કરું છું ને ? એ બરોબર છે. પ્રશ્નકર્તા : વિષયના બહુ જોરદાર વિચારો આવતાં હોય એટલે આ બીજી બાજુ જોઈ લેવાનું એટલે એ નીકળી જાય. દાદાશ્રી : બસ. એ એની મેળે જતાં રહેવાના. છેલ્લામાં છેલ્લો રસ્તો એ કે એને એક્ઝેક્ટ જોઈને જવા દેવું. પણ એ ના થાય તો તમારે આ રસ્તે કરો તોય ચાલી જાય. (પા. ૨૮૬)પ્રશ્નકર્તા : એટલે આ વચ્ચેનો રસ્તો થયો ને ! દાદાશ્રી : આ નજીકનો રસ્તો. પ્રશ્નકર્તા : એટલે છેલ્લામાં છેલ્લું તો, જોઈને જવા દેવું એ. દાદાશ્રી : પછી બહુ ના રહ્યું, હિસાબ થોડોક જ રહે છે. પણ અત્યારે તમે ગૂંચવાઈ જાવ છો, તેના કરતાં છો ને નજીકનો રસ્તો લો. પ્રશ્નકર્તા : મને આવો વિચાર આવ્યો’તો કે હું ત્રિમંત્ર વાંચું છું. નમસ્કારવિધિ ને બધું વાંચું છું અને આવી રીતે જોવાનું આપે કહ્યું ત્યારે કંઈ આમ અડતું ન હતું. ત્યારે એકદમ સીધું ચાલતું’તું. પણ આ જ્યારે વિધિ કરવાની ચૂકાઈ ગઈ એટલે પાછું બધું આ આમ આવ્યા કરે અંદર. એટલે થોડું પાછું મને ઈફેક્ટ થઈ જતી’તી. દાદાશ્રી : ના, એ તો બીજું ચલાવો પાછાં. જોવા બેસવું, ગમે તે કરવું. ઉપયોગ બીજી જગ્યાએ રાખવો, કંઈક કામમાં મૂકી રાખવું. પ્રશ્નકર્તા : આખરે તો આ ગાંઠો જોવી જ પડશે કે એવું જરૂરી નથી ? દાદાશ્રી : એવું છે ને, સેકન્ડરી સ્ટેજમાં કામ લેવું અત્યારે, તમારાથી સહન ના થતું હોય તો. એટલે તમારે બીજો ઉપયોગ મૂકવો એટલે પેલી જતી રહી એની મેળે. ફરી આવશે, એ જ્યારે ત્યારે જોવું તો પડશે એક દા’ડો, ત્યારે તે દા’ડે અત્યારથી સહેલું હશે સહેજાસહેજ. તે હાથ અડાડે ને જતાં રહે બધા. પ્રશ્નકર્તા : એટલે તે વખતે જ્ઞાતા-દ્રષ્ટા સારાપણે રહેવાતું હશે !! દાદાશ્રી : હા, સરળ રીતે. ઊલ્ટું તને જોવાનું ગમે. હલકું થઈ જાય બિલકુલ અને તારામાં શક્તિ વધેલી હોય તે વખતે. અત્યારે તું નિર્બળ થઈ ગયેલો. પ્રશ્નકર્તા : એટલે પેલી હજુ જોવાની શક્તિ નથી, ત્યાં સુધી આ કરવું પડે. (પા. ૨૮૭)દાદાશ્રી : એટલે અત્યારે કોઈ પણ ઉપાયે છે તે, તેમાંથી છૂટા થાવ. પ્રશ્નકર્તા : વિષયસંબંધી દોષો થતા હોય, તો આનું મૂળ સ્લિપ થવાનું મોટું કૉઝ તો મન છે. તો એ મનથી જે વિષય થતા હોય, તો એને દૂર કરવા હોય તો કેવી રીતે કરી શકાય ? દાદાશ્રી : મનને ધ્યાન ના દેવું તે, ‘મન’ને ‘જોયા’ કરવું. પ્રશ્નકર્તા : કારણ કે અત્યારે તો ચંદ્રેશનો આખો કંટ્રોલ ‘મને’ જ લઈ લીધેલો છે. એટલે મન પ્રમાણે જ ચાલે છે. દાદાનો સત્સંગ હોય તોય મન બતાવે ને, એ બાજુ એ ખેંચાય છે. પણ મનનું અમુક ગાઠું નહીં, સત્સંગમાં આવવું એટલે એ મન બધું બતાવે, એ બધું એ બાજુ ધ્યાન ના દઉં. સત્સંગમાં આવી જઉં. તો આ મનથી જે દોષો થતાં હોય, તો એને કેવી રીતે ઉડાડવા જોઈએ ? દાદાશ્રી : દોષ જ થાય નહીંને, આપણા જ્ઞાન લીધા પછી. પ્રશ્નકર્તા : હા, દોષ તો ના થાય. તેમ છતાંય બીજે દ્રષ્ટિ ખેંચાય છે, એટલે આખું એમાં મનનું જ કામ આવ્યું ને ! દાદાશ્રી : હા, એ તો મન હોય જ. પણ આપણું ‘જ્ઞાન’, જ્ઞાનમાં રહે છે ને ! ‘જ્ઞાન’ને જ્ઞાનમાં રાખવું જોઈએ. ‘જ્ઞાન’ને અજ્ઞાનમાં દાખલ ના થવા દેવું જોઈએ. પ્રશ્નકર્તા : એટલે જે થાય છે, એને ‘જોયા કરવું’ એમ, એવું થયું તો ? દાદાશ્રી : બીજું કશું જ નહીં. પ્રશ્નકર્તા : પણ જે વિષય છે, એમાં તો જોવું એય જોખમકર્તા ને ! ક્યારે સ્લિપ થઈ જાય, એ તો કહેવાય જ નહીં ને ! દાદાશ્રી : કશું ના થાય. પોતે જ્ઞાતા-દ્રષ્ટા રહે તો કશું ના થાય. ‘સ્લિપ થઈ જાય’ એ કહેવાય જ નહીં. (પા. ૨૮૮)પ્રશ્નકર્તા : પણ એ ડિસાઈડ કેવી રીતે કરી શકે, કે પોતે જ્ઞાતા-દ્રષ્ટામાં છે ? દાદાશ્રી : શંકા છે, તેને જ બધું થઈ જાય. જેને શંકા નથી, તેને કશું ના થાય. પ્રશ્નકર્તા : એટલે તો આ જે આખું થયું છે, એ શંકાના આધારે જ આ થયેલું છે ? અત્યારે આ ચંદ્રેશની જે અવસ્થા છે, આખી શંકા ના આધારે જ છે ? દાદાશ્રી : તો બીજું શેના આધારે ? પ્રશ્નકર્તા : એટલે પોતા પર શંકા થઈ છે એને. દાદાશ્રી : એવું છે ને ‘ચંદ્રેશ શું કરે છે’ એમ જોયા કરવાનું. આપણે એને કહેવાય ખરું કે ‘તું નાલાયક છું.’ આમતેમ બધુંય કહેવાય. તન્મયાકાર નહીં થઈ જવાનું, તો શક્તિ ઉત્પન્ન થઈ જાય પછી. ‘જ્ઞાન’ અજ્ઞાનમાં ઘૂસી ના જવું જોઈએ. પ્રશ્નકર્તા : ઘણીવાર તો એ પણ ડિસાઈડ ના થઈ શકતું હોય કે આ જ્ઞાન છે કે અજ્ઞાન છે ? દાદાશ્રી : ડિસાઈડ થયા વગર રહે જ નહીં ને ! પ્રશ્નકર્તા : વારે ઘડીએ પેલી બાજુ ખેંચાતું હોય એટલે પોતાને શંકા રહે કે આ જ્ઞાનમાં છે કે અજ્ઞાનમાં છે. દાદાશ્રી : ખેંચાઈ રહ્યું છે તેય, જેને ખેંચનાર છે, એ બધું જ ‘જે’ ‘જાણે’ છે, એ ‘જ્ઞાન’ છે. જાણે નહીં એટલે પછી જ્ઞાન ખસી ગયું કહેવાય, અજ્ઞાનમાં પેસી ગયું. પ્રશ્નકર્તા : શેનો ? દાદાશ્રી : આ તું અજ્ઞાનમાં પેસી જઉં છું પછી ? પ્રશ્નકર્તા : આ એ જ આવે છે આખું, પોતા ઉપરેય એમ થાય (પા. ૨૮૯)છે કે આ ચંદ્રેશ બગડી ગયો, પોતાને એમ થઈ જાય કે હું બગડી ગયો. એમ પોતાના પર તિરસ્કાર આવે છે, કે આવું ? ક્યાં પહેલાનો ચંદ્રેશ ને ક્યાં અત્યારનો ચંદ્રેશ ! આવું છે બધું કે ? ઘણીવાર તો પ્રતિક્રમણેય ના થાય. દાદાશ્રી : શી રીતે થાય પણ તે ? જ્ઞાન, અજ્ઞાનમાં પેસી જાય પછી શી રીતે થાય ? જુદો રહેતો હોય તો થાય. પ્રશ્નકર્તા : જ્ઞાન, અજ્ઞાનમાં ઘૂસી જાય છે, તો એનો આટલો લાંબો પિરિયડ છે. તો હવે એનાં માટે શું કરવું જોઈએ ? દાદાશ્રી : કશું જ કરવાનું ના હોય. પ્રશ્નકર્તા : તો એ અજ્ઞાનમાં પેસી ગયો છે, એનેય જોવાનો ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : આ બગડી ગયો, એને સુધારવું તો પડે જ ને ! દાદાશ્રી : એ સત્સંગમાં વધારે જવું જોઈએ. સત્સંગમાં વધારે એટલે પછી રેગ્યુલર. પ્રશ્નકર્તા : હા, એ વસ્તુ તો જોયું. સત્સંગમાં આવે છે ત્યારે બહુ ક્લીયર થઈ જાય છે. દાદાશ્રી : હા, પણ સત્સંગમાં વધારે પડી રહેવું પડે. એટલો ટાઈમ કાઢી રાખવો જોઈએ સત્સંગ માટે. ‘જોવું’-‘જાણવું’ આત્મસ્વરૂપેપ્રશ્નકર્તા : જોવાથી પુદ્ગલ શુદ્ધ થઈ જાય, એ વિષય માટે પણ કરેક્ટ છે ? દાદાશ્રી : વિષયમાં એવું બધાને રહી શકે નહીં ને ! વિષય એકલો જ એવો છે, જોઈ શકે નહીં, ચૂકી જાય. બીજામાં જોઈ શકાય તરત. વિષય સિવાય બીજું બધું જોઈ શકે, જલેબી ખાયે ખરો ને જલેબીના ખાનારનેય (પા. ૨૯૦)જુએ. જલેબી કેવી રીતે ચાવે છે, એમાં પોતે હસે હઉ કે ‘ઓહોહો ! શું ચંદ્રેશભાઈ ચાવવા માંડી જલેબી તમે ટેસ્ટથી !’ પ્રશ્નકર્તા : આપણે કોઈ જગ્યાએ બેઠાં હોઈએ અને ત્યાં બાજુમાં કોઈ સ્ત્રી આવે, આપણને સ્પંદન ઊભું થાય, તો એ ‘જોઈએ’ તો ચાલે કે પ્રતિક્રમણ કરવું પડે ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરવું પડે. ‘જોઈએ’, એનું નામ કહેવાય કે એ ‘જોતાં’ હોય તો ચંદ્રેશને આપણે કહીએ, ‘ઓહોહો ચંદ્રેશભાઈ ! તમે તો સ્ત્રીઓ પણ જુઓ છો, હવે તો રોફમાં આવી ગયા લાગો છો.’ એનું નામ ‘જોયું’ કહેવાય. આંખોથી જોઈએ, એ તો બધા આ જગતના લોકોય જુએ જ છે ને ! આંખોનું જોયેલું ઈન્દ્રિય જ્ઞાન કહેવાય. પ્રશ્નકર્તા : આ તો અંદર સ્પંદન ઉત્પન્ન થાય, એ જોઈએ કે આ સ્પંદન ઉત્પન્ન થયા. એવું જોવાથી જાય ! દાદાશ્રી : ‘જોવું’. ‘જોવામાં’, અમે જે કહીએ છીએ, એ જુદું કહીએ છીએ. અમે તો ‘આ શું કરે છે’ એ અમે ‘જાણીએ’. હું તો કહું ને ‘અંબાલાલભાઈ લહેરથી તમે જમવા માંડ્યું છેને કંઈ !’ પ્રશ્નકર્તા : આવી રીતે કહેવું, એ ‘જોયું’ કહેવાય એવું આપ કહેવા માંગો છો. એટલે આખી ‘જોવાની’ જે પ્રક્રિયા છે, એ આવી રીતે વાતચીતના સંબંધથી સ્પષ્ટ રીતે રહી શકાય. દાદાશ્રી : હા. એટલે આ તમે બધા ‘જુઓ’ એ ‘જોયું’ ના કહેવાય. એ તમારી ભાષામાં તમારા ડહાપણથી કરવા જાવને, તો ઊલ્ટો માર ખાઈ જશો. અમને પૂછવું કે આવું અમારું ડહાપણ છે, એ બરોબર છે ? પ્રશ્નકર્તા : આમાં એવું થાય છે કે વિષયનો વિચાર ઊભો થાય ને આ બાજુ છેદાય, પાછો ઊભો થાય, પાછો છેદાય. એટલે આ પોતાની પકડ છોડતું નથી પણ પેલો વિચારેય ચાલ્યા કરે, બેઉ સામસામે ચાલ્યા કરે. દાદાશ્રી : એ છોડે નહીં ને ! એટલે પહેલો વિચાર જ આમ કાઢીને ફેંકી દેવો, પછી કોઈ જાતના જાપ કરવા બેસી જવું. ‘દાદા ભગવાનને (પા. ૨૯૧)નમસ્કાર કરું છું’, આમ તેમ કરવું, પદો ગાવા માંડવા, એ જાપ જ છે બધા. આપણે કહેવું કે ‘ચંદ્રેશભાઈ, ગાવ’ મહીંથી. જ્ઞાન તો, એનું બોલ્યા જ કરશે, બિચારું. એ જ્ઞાન તો જાગૃત કર્યા જ કરે કે જાગો, જાગો, જાગો ! એવું મહીંથી નથી કરતું ? પ્રશ્નકર્તા : હા, બહુ કરે છે, એના પ્રતાપે તો બધું ટકી રહ્યું છે. દાદાશ્રી : હવે બહારના માણસ શી રીતે ટકે બિચારાં ?! જ્ઞાન ના હોય તો શી રીતે ટકે ? ના ટકે. એ તો જેમ પ્રકૃતિ લઈ જાય, તેમ ઢસડાયા કરે. જાગૃતિમાં ઝોકા, ત્યાં વિષયના સોટાંપ્રશ્નકર્તા : આ જ્ઞાનની જાગૃતિ થકી પ્રકૃતિ સામે મોટો ફોર્સ ઊભો થયો છે. દાદાશ્રી : હા. આ જ્ઞાન છે તેથી પ્રકૃતિની સામે જીતે ખરું, પણ જોડે જોડે આપણું જે અસ્તિત્વ છે તે જ્ઞાન સાથે હોવું જોઈએ. પુદ્ગલ સાથે અસ્તિત્વ થયું તો ખલાસ કરી નાખે. એટલે સ્વપરિણામી હોવું જોઈએ. પેલા વિચારમાં મીઠાશ લાગી એટલે થઈ રહ્યું, એ પછી ખલાસ કરી નાખે. કારણ કે પેલી બાજુ પરપરિણામ થયાં. હવે એ વિચારો મીઠાશ આવે એવાં હોય ને ? કે કડવાશ આવે ? પ્રશ્નકર્તા : મીઠાશ આવે એવાં આવે ને ! દાદાશ્રી : એટલે જ ત્યાં ચેતવાનું છે ! આવો તો ફોડ બીજી જગ્યાએ કરાય નહીં ને ! આ તો વિજ્ઞાન છે એટલે ફોડ કરાય. આ રોગ કોઈ કાઢે જ નહીં ને ? આ રોગ શી રીતે નીકળે ? આનો ઇલાજ આપણે ત્યાં થાય. અહીં સ્ત્રીઓ બેઠી હોય તોય આપણે ત્યાં વાંધો ના આવે. બીજી જગ્યાએ તો આવી વાત જ ના થાય ને ! જાગૃતિ મંદ પડી કે વિષય પેસી જાય. જાગૃતિ મંદ પડી કે પછી (પા. ૨૯૨)એ ધક્કો ખાય. વિષયે એક એવી ખરાબ વસ્તુ છે કે એમાં એક ફેરો લપસ્યો એટલે જાગૃતિ પર ગાઢ આવરણ આવી જાય. પછી જાગૃતિ રાખવી હોય તોય રહે નહીં. જ્યાં સુધી એકુંય ફેરો પડ્યો નથી, ત્યાં સુધી જાગૃતિ રહે. વખતે આવરણ આવે, પણ જાગૃતિ તરત જ આવી જાય. પણ એક જ ફેરો લપસ્યો તો જબરજસ્ત ગાઢું આવરણ આવી જાય, પછી સૂર્ય-ચંદ્ર દેખાય નહીં. એક જ વખત લપસવાનું બહુ નુકસાન છે. પ્રશ્નકર્તા : જાગૃતિ મંદ એટલે ‘એક્ચ્યુલી’ કેવી રીતે બને છે ? દાદાશ્રી : એક ફેરો આવરણ આવી જાય એને. એ શક્તિને સાચવનારી જે શક્તિ છે ને, એ શક્તિ પર આવરણ આવી જાય, એ શક્તિ કામ કરતી બુઠ્ઠી થઈ જાય. પછી તે ઘડીએ જાગૃતિ મંદ થઈ જાય. એ શક્તિ બુઠ્ઠી થઈ ગઈ પછી કશું થાય નહીં, કશું વળે નહીં. પાછો ફરી માર ખાય, પછી માર ખાયા જ કરે. પછી મન, વૃત્તિઓ, એ બધું એને અવળું સમજાવે કે, ‘આપણને તો હવે કશો વાંધો નથી. આટલું બધું તો છે ને ?’ આવું પાછાં મહીં વકીલ સમજાવનારા હોય, એ વકીલનું જજમેન્ટ પાછું ચાલુ થઈ જાય. પછી કહેશે કે પરહેજ કરો, મુક્ત હતા તેનાં પાછાં થયા પરહેજ. એવું થવું તેનાં કરતાં પૈણવું સારું, નહીં તો એવું થવું ના જોઈએ. પ્રશ્નકર્તા : એ શક્તિને રક્ષણ આપનારી શક્તિ એટલે શું ? દાદાશ્રી : એક ફેરો સ્લિપ થયો, તે સ્લિપ નહીં થવાની જે મહીં શક્તિ હતી તે ઘસાય, એટલે કે એ શક્તિ લપટી પડતી જાય. એટલે પછી બાટલી આમ આડી થઈ કે દૂધ એની મેળે જ બહાર નીકળી જાય, પેલું તો આપણે બૂચ કાઢવો પડતો હતો. એ તને સમજાયું ? પ્રશ્નકર્તા : એક અસંયમ પરિણામથી પછી ગુણક રીતે જ આખું ડાઉનમાં જતું રહે ને અસંયમ વધ્યા જ કરે એવું ને ? દાદાશ્રી : હા, એટલે અસંયમ વધ્યા જ કરે ને ! એટલે પાછું લપટું જ પડતું જાય. એક તો લપટું પડ્યું છે ને ફરી પાછું લપટું પડ્યું, તો પછી (પા. ૨૯૩)રહ્યું શું ? પછી તો મહીં મન-બુદ્ધિ શિખામણ આપનારા અને મહીં જજ ને બધા સાક્ષી પૂરનારા નીકળે. અલ્યા, કોઈ સાક્ષીવાળા નહોતા, તે ક્યાંથી આવ્યા ? ત્યારે કહે કે, ‘અમને પહેલેથી કહ્યું હતું ને કે તમે સાક્ષીમાં આવજો, તે અમે સાક્ષી પૂરવા આવ્યા છીએ ! કે હવે કશો વાંધો નથી. તમારી તો, આટલી બધી જાગૃતિ. હવે તમને શો વાંધો છે, હવે તમારો જરાય દોષ નથી.’ તારે કોઈ ફેરો એવા સાક્ષીવાળા નથી આવતા ? પ્રશ્નકર્તા : હા, બને ને. પણ મારે કેવું બને છે કે પહેલું આમ ગ્રાફ ઊંચે જાય, પછી જાગૃતિ મંદ પડતી દેખાય, પછી ખબર પડે કે હવે ડાઉન થવા માંડ્યું. એટલે પછી પાછું તરત જોમ આવી જાય કે આ ભૂલ થાય છે ક્યાંક, એટલે પછી પાછી શોધખોળ થાય અને પાછું ઉપર આવી જવાય, પણ આમ ડાઉનમાં આવે છે ખરું ! દાદાશ્રી : હા, પણ એ ડાઉનમાં આવે તો, એ ક્યાં સુધી ચાલી શકે ? જ્યાં સુધી આપણી એકુંય ફેરો ભૂલ ના થાય ત્યાં સુધી ચાલી શકે, પણ એક ફેરો ભૂલ થઈ એટલે લપટું પડે. સંસારીપણામાં હજાર ભૂલો ખાય તેનો વાંધો નહીં. કારણ કે લપટું જ પડી ગયું છે, પછી એમાં વાંધો જ શો ? એનું નામ જ લપટું પડેલું છે ને ! પણ અહીં તો તમે ટાઈટ રાખ્યું છે તે ટાઈટ જ રાખવાનું, અને એ શક્તિ જો ઊર્ધ્વમાન થાય તો બહુ કામ કાઢી નાખે. પ્રશ્નકર્તા : એ કેવા પ્રકારના દોષથી લપટું પડવાનું ચાલુ થાય છે ? દાદાશ્રી : સંયમ, અસંયમ થયો કે લપટું પડી જ જાય. સંયમ જ્યાં સુધી સંયમભાવમાં હોય ત્યાં સુધી લપટું ના પડે. આમ વધ-ઘટ થયા કરે એનો વાંધો નહીં, પણ એ સંયમ તૂટ્યો કે પછી થઈ રહ્યું. એ સંયમ તૂટે ક્યારે ? કે ‘વ્યવસ્થિત’નાં પાછળના અનુસંધાન હોય તો તૂટે. અને તૂટ્યા પછી, એને ખેદાનમેદાન કરી નાખે. મૂર્છા ઊડી ગઈ પછી વાંધો નથી. મૂર્છા જ ઉડાડવાની છે. ‘મને મૂર્છા ઊડી ગઈ’ એવું બોલીએ તેથી કરીને કશું ના વળે, મૂર્છા તો એક્ઝેક્ટ જવી જ જોઈએ. અને તેય જ્ઞાની પુરુષની પાસે ટેસ્ટ કરાવી લેવું જોઈએ (પા. ૨૯૪)કે, ‘સાહેબ, મારી મૂર્છા ગઈ કે નહીં, એ ટેસ્ટ કરી આપો.’ નહીં તો મહીં એવી એવી વકીલાતો ચાલે કે ‘બસ, હવે બધી મૂર્છા ઊડી ગઈ છે, હવે કોઈ વાંધો નથી !’ એટલે વકીલાતો કરનારા બહુ ને ! માટે જાગૃત રહેવું ! અપરાધ થઈ જાય એવી જગ્યાએથી ખસી જવું. આત્મા તો આપ્યો છે અને એ આત્મા અસંગ સ્વભાવનો છે, નિર્લેપ સ્વભાવનો છે. પણ અનંત અવતારથી પુદ્ગલની ખેંચ છે. તમે જુદા થયા, પણ પુદ્ગલની ખેંચ છોડે નહીં ને ?! એ ખેંચ જાય નહીં ને ?! સ્ત્રી-પુરુષના આકર્ષણમાં એ જાગૃતિ ના રાખી, તો પુદ્ગલની ખેંચ એને અંધારામાં નાખી દે. અંતે તો આત્મરૂપ જ થવાનું છેપ્રશ્નકર્તા : જ્યારથી બ્રહ્મચર્યની વિચારણા શરૂ થઈ છે, ત્યારથી તે બાજુ મજબૂત બનવા માંડ્યું છે. તો મહીં પાછો આ અહંકારેય સાથે સાથે ઊભો થવા માંડ્યો, એય આમ હેરાન કરે ઘણીવાર. દાદાશ્રી : કેવો અહંકાર ઊભો થાય ? પ્રશ્નકર્તા : ‘હું કંઈક છું, હું કેવું સરસ બ્રહ્મચર્ય પાળું છું.’ એવો. દાદાશ્રી : એ તો નિર્જીવ અહંકાર છે. પ્રશ્નકર્તા : મહીં આ બધી ખુમારી ભરી હોય તેવું થઈ જાય. દાદાશ્રી : હા, પણ તોય એ તો બધો નિર્જીવ અહંકાર કહેવાય. મરેલો માણસ બેઠો થઈ જાય તો આપણે ત્યાંથી નાસી જવું ?! બાકી, બ્રહ્મચર્યનો ખરો અર્થ શો છે કે બ્રહ્મમાં ચર્યા. શુદ્ધાત્મામાં જ રહેવું, એનું નામ બ્રહ્મચર્ય. પણ આ તો લોક બ્રહ્મચર્યનો શો અર્થ કરે છે ? નળને દાટો મારી દો. પણ દૂધ પીધું, તેનું શું થશે ? આખા જગતે વિષયોને વિષ કહ્યાં. પણ અમે કહીએ છીએ, ‘વિષયો એ વિષ નથી, પણ વિષયોમાં નીડરતા એ વિષ છે.’ નહીં તો મહાવીર ભગવાનને છોડી શી રીતે થાત ? જગત વાતને સમજ્યું જ નથી. રિલેટિવમાં બ્રહ્મચર્ય હોવું ઘટે, પણ આ તો પાછાં એક જ ખૂણામાં પડ્યા રહે છે અને બ્રહ્મચર્યનો જ આગ્રહ કરે છે અને તેનો જ દુરાગ્રહ કરે છે. બ્રહ્મચર્યના આગ્રહી થાય છે તેનો વાંધો (પા. ૨૯૫)નથી, પણ દુરાગ્રહી થયા તેનો વાંધો છે. આગ્રહ એ અહંકાર છે અને દુરાગ્રહ એ જબરજસ્ત અહંકાર છે. બ્રહ્મચર્યનો દુરાગ્રહ કર્યો એટલે ભગવાન કહે છે, ‘માર ચોકડી.’ પછી ભલેને બ્રહ્મચર્ય પાળતો હોય. પ્રશ્નકર્તા : બધી બાબત માટે કોઈના દોષ મને ના દેખાય, પણ બ્રહ્મચર્ય માટે મને કોઈ અવળું કહે તો મારી બહુ હટી જાય, તરત જ એનાં દોષ દેખાવા માંડે. દાદાશ્રી : આ શાથી ? કે આત્મા ઉપર પ્રીતિ નથી, બ્રહ્મચર્ય પર પ્રીતિ છે. પણ બ્રહ્મચર્ય એ પુદ્ગલ છે. આત્મા પોતે તો બ્રહ્મચારી જ છે, નિરંતર બ્રહ્મચારી છે ! આ તો આપણે બહારનો ઉપાય કરીએ છીએ અને તે પણ કુદરતી રીતે ડિસ્ચાર્જ રૂપે આવ્યો હોય તો જ થાય. એટલે બ્રહ્મચર્ય એ કંઈ મુખ્ય વસ્તુ નથી. એને મુખ્ય માનીએ તો આત્માનું મુખ્યપણું જતું રહે. મુખ્ય વસ્તુ તો આત્મા છે, બીજું કશું તો મુખ્ય છે જ નહીં. બીજા આ બધા તો સંયોગ છે અને સંયોગો પાછાં વિયોગી સ્વભાવના છે. આત્મા ને સંયોગો બે જ છે, બીજું કશું છે જ નહીં જગતમાં ! એટલે મુખ્યપણું બધું એક માત્ર આત્મામાં આવી ગયું, બીજા બધાને સંયોગ કહી દીધા. સંયોગને સારો-ખોટો કરવા જશો તો, તે બુદ્ધિ વાપરી અને બુદ્ધિ વાપરી માટે આત્મા છેટો ગયો. આપણું કેટલું સરસ સાયન્સ છે ! બ્રહ્મચર્ય વ્યવહારને આધીન છે ! નિશ્ચય તો બ્રહ્મચારી જ છે ને ! આત્મા તો બ્રહ્મચારી જ છે ને ! (પા. ૨૯૬)[16] લપસનારાંઓને ઉઠાડી દોડાવેમાથે રાખો જ્ઞાનીને, ઠેઠ સુધીપંદર વર્ષ જેલમાં ઘાલ્યા હોય તો શું કરીશ ? ‘દાદાની જેલમાં જ છું’, કહીએ. કંઈ શૂરાતન રાખને ! શૂરાતન ! એક અવતાર. મોક્ષે જવું છે આ તો. બાકી બધે ભાંગફોડો આની આ જ ચાલી છે ને ! ‘આમાં શું સુખ છે’ અને આ એક વાડ તું ઓળંગીશ, આ મારા કહ્યા પ્રમાણે, પછી છૂટો થઈ જઈશ. એક જ વાડ ઓળંગવાની જરૂર છે. દાદા હાજર રહે છે કે નહીં રહેતા તને ? તારે પછી દાદા હાજર રહે છે, પછી આપણને શું દુઃખ ? બળ્યા, આમાં તે ક્યાં એવાં સુખ હતા, આટલું બધું પકડાઈ ગયો છું ! દાદા તો બધી રીતે રક્ષા કરે એવાં છે આ, આ આમનો મૂળ આડાઈનો સ્વભાવ છે ને, તે છૂટતો નથી ને ! સ્વપ્નામાં આવે, ત્યારથી કલ્યાણ થઈ ગયું. સ્વપ્નામાં એમ ને એમ તો કોઈ વસ્તુ આવે કે ! એટલે આ દુનિયાનું જે થવાનું હોય તે થાય, પણ આ દાદાને છોડવાનાં નહીં અને દાદાની આજ્ઞા આ એક પાળી દેવાની અને વશ થઈ જશે બધું. અને નહીં તો તારે પૈણવું હો તો કહેને, વાંધો નહીં. કરી આપીશ પછી રસ્તો. આજ્ઞામાં ના રહેવાય, તેથી અમે કંઈ ઓછા જેલમાં કોઈને ઘાલીએ ? નહીં તો એવું જો જેલમાં ઘાલી દેવાના થાય તો, અમારે કેટલાં જણને જેલમાં ઘાલી દેવા પડે ? બધાંને ઘાલી દેવા પડે. તમારે તો ‘લપસી પડવું નથી’, એવું નક્કી કરવાનું ને લપસી પડ્યા તો પછી મારે માફ કરવાનું. તમારું મહીં વખતે બગડવા માંડે કે તરત મને જણાવો. એટલે એનો કંઈક ઉકેલ આવે ! કંઈ એકદમ ઓછું સુધરી (પા. ૨૯૭)જ જવાનું છે ? બગડવાનો સંભવ ખરો ! આ દરેક નવા મકાન બાંધે, તો એમાં ડિફેક્ટ નીકળે કે ના નીકળે ? મારા જેવાને કશું કામ કરવાનું હોય નહીં, એટલે ભૂલ કાઢવાની હોય કશી ? જે બધાં કંઈક કામ કરે એમની ભૂલ નીકળે. ખરાબમાં ખરાબ કામ થઈ ગયું હોય તો આપણે ‘દાદાજી’ને કહી દઈએ, તો મન જાણે કે, ‘આ તો ભોળો છે, તે બધું કહી દે છે. માટે હવે ફરી આપણે કરવું નથી. આની જોડે આપણને પોષાય નહીં.’ એટલે મન પછી છટકબારી ખોળે નહીં. પહેલાં તો હું જે થયું હોય તે ‘ઓપન’ કરી દેતો. એટલે મનને શું થાય મહીં ? મૂંઝાયા કરે, અને નક્કી કરે કે ફરી આપણે આવું કરવું નથી. પ્રશ્નકર્તા : ‘આ તો આપણી જ આબરૂ બહાર પડે છે’ તેમ કહીને પછી મન ચૂપ થઈ જાય. દાદાશ્રી : હા, મન સમજી જાય કે આ તો ‘આપણી આબરૂ ઉઘાડી કરી નાખે છે’. બહારના લોકો તો, એવું જાણે કે પોતાની આબરૂ જાય છે; જ્યારે આપણે જાણીએ કે આ તો મનની આબરૂ જાય છે ! જે કરે, એની આબરૂ જાય. ‘આપણી’ શાની આબરૂ જાય ? આવું કહી દઈએ તો મન ટાઢું પડી જાય કે ના પડી જાય ? હંમેશાં અમારી આપેલી આજ્ઞામાં જ રહેવું સારું. પોતાના લેવલ ઉપર લીધું, તે સ્વચ્છંદ ઉપર લઈ જાય છે. આ સ્વચ્છંદે જ લોકોને પાડી નાખેલા ને ! તેથી જ આ અમે આજ્ઞા આપીએ છીએ ને ?! સ્વચ્છંદ એ મોટામાં મોટો રોગ કહેવાય કે ‘હવે મને કંઈ જ વાંધા જેવું નથી.’ એ જ વિષ છે. જાણો ગુનાના ફળને પ્રથમપ્રશ્નકર્તા : ‘આ કાર્ય ખોટું છે, એ નથી કરવા જેવું.’ એ આપણને ખબર છે, એમ છતાં પણ એ થઈ જાય છે. તો એને અટકાવવા માટે શું પ્રયત્ન કરવો ? શું પુરુષાર્થ કરવો ? દાદાશ્રી : એવું છે ને, જે ગુનાનું શું ફળ છે એ જાણીએ નહીં, ત્યાં સુધી એ ગુના થયા કરે છે. કૂવામાં કેમ કોઈ પડતું નથી ? આ વકીલો ગુના ઓછા કરે છે, શાથી ? આ ગુનાનું આ ફળ મળશે, એવું એ જાણે (પા. ૨૯૮)છે. માટે ગુનાનું ફળ જાણવું જોઈએ. પહેલાં તપાસ કરવી જોઈએ કે, ગુનાનું ફળ શું મળશે ? ‘આ ખોટું કરું છું, એનું ફળ શું મળશે ?’ એ તપાસ કરી લાવવી જોઈએ. આ દુનિયાનો એવો નિયમ છે કે ગુનાના ફળને પૂરું જાણતા હોય તો, એ ગુનો કરે જ નહીં ! ગુનો કરે છે એટલે એ ગુનાના ફળને પૂરું જાણતો નથી ! આ અમે નર્કનું ફળ જાણીએ છીએ, એટલે અમે તો કોઈ દહાડોય નર્કનું ફળ આવે એવી વાત તો, આ શરીર તૂટી જાય તોય ના કરીએ. તમે નર્કનું સ્વરૂપ સાંભળ્યું, તો તમને કેવું લાગે હવે ? માટે કર્મનું ફળ શું ? એ જાણવાનું. કારણ કે ગુનો થાય છે તો હજુ ‘એનું ફળ શું ?’ એ જાણ્યું જ નથી. માટે પ્રકૃતિ કેવી બાબતમાં ખોટું કરે છે, એ કો’કને પૂછવું જોઈએ. જ્ઞાની પુરુષ હોય તેને પૂછવું જોઈએ કે, ‘હવે મારે આ જગ્યાએ શું કરવું ?’ અને તે ઉપરાંત એ પ્રકૃતિથી થઈ જાય તો માફી માગવી જોઈએ ! જે પ્રકૃતિ આપણને પસ્તાવો કરાવડાવે, એ પ્રકૃતિનો વિશ્વાસ જ કેવી રીતે કરાય ? પ્રશ્નકર્તા : પ્રગતિમાં રૂંધનારા અંતરાયોમાંથી કેવી રીતે નીકળાય ? દાદાશ્રી : એ બધું નીકળી જશે, કૃપાથી બધું જ નીકળી જશે. કૃપા એટલે દાદાજીને રાજી રાખવા તે. દાદા આપણી પાછળ જે માથાકૂટ કરે છે, એનું ફળ સારું આવે, ટકા સારા આવે એટલે દાદા રાજી ! બીજું શું દાદાને જોઈએ ?! દાદા કંઈ પેંડા ખાવા માટે આવ્યા નથી ! છતાંય પેંડા ધરવાના ને પ્રસાદ મૂકવાનો ! એય વ્યવહાર છે ને ?! ધંધામાં ખૂંપ્યા કે ખોયા ખુદાઆ તો પોતાની જાતે ખોટેખોટો સંતોષ લઈને દહાડા ચલાવે ! અને એનું રીઝલ્ટેય આવ્યા વગર રહે નહીં ને ! ગમે તેટલું કહેશે, ‘હું વાંચું છું, હું વાંચું છું.’ પણ છ મહિને એનું રીઝલ્ટ તો આવે જ ને ? ત્યારે પોલ ખબર પડી જાય ને ?! તને સમજાય છે આ બધું ? કૉલેજમાં બેઠા પછી પાસ તો થવું પડે ને ? જે ધંધો માંડ્યો છે, એ પૂરેપૂરો કરવો તો જોઈએ ને ? ‘પૈણવું છે’ તો એમ નક્કી રાખવાનું અને ‘બ્રહ્મચર્ય પાળવું (પા. ૨૯૯)છે’ તો એ નક્કી રાખવું. બ્રહ્મચર્ય પાળવું હોય તો પછી નિશ્ચય પૂરેપૂરો હોવો જોઈએ ને ? આ તો ધંધા પર દુકાનનું કરવા જઈએ ને પાછું ફૂટબોલેય રમવા જઈએ, બોલ-બેટેય રમવા જઈએ, તો એમાં કંઈ ભલીવાર થતો હશે ? ભલીવાર લાવવો છે, ત્યારે રસ્તો તો કાઢવો પડે ને ? કે આવું ચાલે ? પોલંપોલ ચાલે ?! પ્રશ્નકર્તા : ના ચાલે. દાદાશ્રી : બાકી લોકોનાં ટોળાં જાય છે, એવું ટોળામાં રહીએ એ હિસાબે સારું છે ! એમાં પછી આપણે ક્યાં લક્ષ રાખવું પડે કે, ‘કોણ આગળ જાય છે ? શાથી એ આગળ જાય છે ? હું શાથી આટલો બધો પાછળ રહી ગયો ?’ બાકી, મોક્ષમાર્ગમાં તો નિરંતર જાગૃત રહેવું પડે કે ‘મારી શી ભૂલ રહી જાય છે ?’ એવી તપાસ તો કરવી જ પડે ને ! બાકી, સંસારની તો ઇચ્છા કરવા જેવી જ નથી. સંસાર તો સહજ સ્વભાવે ચાલ્યા કરે એવો છે. હવે આટલાં વખતથી મહેનત કરી છે, એમાં મારોય આટલો બધો ટાઈમ ગયો છે, તારેય કેટલો ટાઈમ ગયો છે. માટે મને કંઈક સંતોષ થાય એવું કર. અહીં આ બધા છોકરા છે, તે કેવું સુંદર બધાને આખો દહાડો વર્તે છે ! અહીં તો જે ચોંટી પડ્યો ને વળગી પડ્યો, તેનું ચાલ્યા કરે ! એ ચોંટેલું ઊખડે નહીં ત્યાં સુધી તારે સારું ચાલ્યા કરશે. હવે ક્યારે પાછું ઊખડી જઈશ ? પ્રશ્નકર્તા : હવે નહીં ઊખડું. દાદાશ્રી : ત્યારે ખરું ! એવો ચોંટી પડે તો જ ચાલે. કારણ કે અહીં જે ચોંટી રહ્યો, એને કૃપા કામ કર્યા વગર રહે નહીં એવો આ કરુણામય માર્ગ છે. કેવો માર્ગ છે ? પોતાનું બગાડીનેય પણ કરુણામય માર્ગ છે. પોતાની કમાણી ઓછી ભલે થાય, પણ એને સાચવીને, એની કમાણી શરૂ કરાવીને, દુકાન ફરી ચાલુ કરી દેવડાવી આપે. આ સંસારમાંય કોઈ ભાઈબંધ હોય, ઓળખાણવાળો હોય, તે એનું ના ચાલતું હોય તો આમતેમ કરીને ચાલુ કરાવી દે. વ્યવહારમાંય રાગે પડાવી દે ! એવું કરાવી દે છે ને ? અત્યારે તો તું ભણું છું, કૉલેજ પૂરી થઈ નથી. એટલે અત્યારે બધા (પા. ૩૦૦)હિસાબ કાઢું તો ચાલશે અને અત્યારે કરી લીધું હોય તો તે વખતે કામ લાગે. પછી કૉલેજ પૂરી થાય પછી તો ઑફિસ લઈને બેસીશ અને ઑફિસમાં એક મિનિટની નવરાશ નહીં મળે. આપણે જાણીએ કે હજી તો બહુ ટાઈમ છે ને પછી આ પૂરું કરી લઈશું ! પણ આ કાળમાં ધંધા બધા એવાં છે કે એક મિનિટ નવરાશ મળે નહીં અને આખો દહાડો મગજમારી, ભલે પૈસા કમાતો હોય પણ અહીંનું કામ કશું થાય નહીં. અત્યારે કર્યું હોય તો તે ઘડીએ ત્યાં બેઠાં બેઠાં બધો ખ્યાલ રહેશે, તે કંઈકેય થોડું થશે. આ તો દાદા યે ફરી ભેગા થાય નહીં એવાં બધાં કામકાજ ! અત્યારે આ બધું તમારે લક્ષમાં ના હોય ને ? આમાંનું તો કશું ભાનેય ના હોય ને ? આ તો કુદરત ચલાવે એમ ચાલે છે. પોતાની જાગૃતિનો એક અંશેય નહીં. આપણે ત્યાં ઘણાં ઑફિસરો દર્શન કરી ગયેલા. કહેય ખરાં કે આ જ કરવા જેવું છે, પણ કરે શી રીતે ? ધંધો એ તો એક પ્રકારની જેલ છે. એ જેલમાં બેસીને પૈસા કમાવવા. એટલે હવે તારે શું કરવું જોઈએ ? તારે ધંધો ચાલુ થયા પછી એક મિનિટનોય ટાઈમ નહીં મળે. પ્રશ્નકર્તા : પહેલાં કામ કાઢી લેવું પડે. દાદાશ્રી : હા, પહેલાં કામ કાઢી લેવું પડે, એટલે આ યાદ રાખજે. એટલાં માટે તને આ તારણ કાઢી આપ્યું છે. પછી ફરી ફરી અમે કહેવા આવીએ નહીં. અમે તો પૂરેપૂરી સમજણ પાડી છૂટીએ કે તમારું અહિત ના થાય. આ તો આજે ભેગો થયો અને ઇચ્છાય છે એવું આપણે જાણીએ, પણ મોહનો માર્યો પેલો નિશ્ચય થાય નહીં ને ? નિશ્ચય રહે નહીં. અમે એક-એક એવાં નિશ્ચય જોયા છે કે પરસેન્ટ ટુ પરસેન્ટ કરેક્ટ. જ્યારે જુઓ ત્યારે કરેક્ટ. એટલે જેટલું થાય એટલું કરી લેવું ! તને ખબર છે ને, આ ઑફિસ એવો ધંધો છે ? પ્રશ્નકર્તા : એવો ધંધાનો બહુ મોટો વિચાર કર્યો નહોતો. દાદાશ્રી : પણ એ તો થઈ જ જવાનું અને મોટી ઑફિસો તે મોટું કામકાજ ના કરે તો ખર્ચોય ના નીકળે. નોકરી કરું તો ઠીક છે, તોય તને કંઈક અવકાશ મળે. કેટલાંક તો એવાં પુણ્યશાળી હોય છે કે ધંધા સંબંધી (પા. ૩૦૧)કંઈ બોધરેશન જ નહીં. હે... ય... આખો દહાડો ધંધા એની મેળે ચાલ્યા કરે, એ પુણ્યૈ કહેવાય. હવે બધું તારું રાગે પડી જશે ને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : બહુ પગથિયાં પડી જાય પછી કોણ પકડી રાખે ? પહેલાં તો એક પગથિયું પડે પછી બીજાં બે થાય, ચાર થાય, બાર થાય, એમ વધતાં જાય ! હવે આ ગાડી ક્યાં અટકે ? પછી એને કોણ ઊભી રાખે ને પાછું કોણ પકડે ? આટલે ઊંચે હતો, ઊંચી દશામાં હતો ત્યારે સીધો ના રહ્યો, તે હવે પડ્યા પછી શું રહે ? લપસ્યો એ લપસ્યો ! મહીં ભરપટ્ટે સુખ પડ્યું છે ! યાદ કરતાં જ મળે એવું મહીં નર્યું સુખ હોય છે ! જ્યાં સાંકળ ખેંચો ત્યાં ગાડી ઊભી રહે, એટલી બધી પોતાની શક્તિઓ છે ! પણ જ્યાં લપટું પડ્યું ત્યાં શું થાય ? તને દાદાનું નિદિધ્યાસન રહે છે કે ? પ્રશ્નકર્તા : આ બે દિવસથી તો રહે છે. દાદાશ્રી : જેને દાદાનું નિદિધ્યાસન રહે, તેને બધાં જ તાળાં ઊઘડી જાય. દાદા જોડે અભેદતા એ જ નિદિધ્યાસન છે !!! બહુ પુણ્ય હોય ત્યારે એવું જાગે, અને ‘જ્ઞાની’ના નિદિધ્યાસનનું સાક્ષાત્ ફળ મળે છે. એ નિદિધ્યાસન, પોતાની શક્તિ એ પ્રમાણે કરી આપે, તે રૂપ કરી આપે. કારણ કે ‘જ્ઞાની’નું અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ છે, એટલે તે રૂપ કરી નાખે. ‘જ્ઞાની’નું નિદિધ્યાસન નિરાલંબ બનાવે. પછી ‘આજે સત્સંગ થયો નહીં, આજે દર્શન થયાં નહીં.’ એવું કશું એને ના રહે. જ્ઞાન પોતે નિરાલંબ છે, એવું પોતે નિરાલંબ થઈ જવું પડે, ‘જ્ઞાની’ના નિદિધ્યાસનથી. એક ધ્યેય, એક જ ભાવઆપણે આંગણામાં ઝાડ ઉછેર્યું હોય, રોજ ખાતર-પાણી નાખીએ ને હવે કન્સ્ટ્રકશનવાળાનો ઓર્ડર મળે કે આ ઝાડને કાપી નાખો ને ત્યાં આગળ પાયા ખોદવા માંડો તો ? અલ્યા, તે આ છોડવો ઉછેર્યો’તો શું કરવા ? જો ઉછેરીશ તો કાપીશ નહીં, તો પેલાને કહી દે કે કન્સ્ટ્રકશનવાળાએ મકાનની જગ્યા બદલવી જોઈએ. આપણે જેને જાતે ઉછેરીએ અને એને (પા. ૩૦૨)પછી આપણે કાપીએ તો શું થયું કહેવાય ? પોતાના છોકરાની હિંસા કર્યા બરાબર છે. પણ આપણા લોક કશું સમજતાં નથી ને કહેશે, ‘કાપી નાખો ને !’ મેં કોઈ વખત આ ભૂલ કરી નથી. અમને તો તરત વિચાર આવે કે જો ઉછેર્યું છે તો કાપીશ નહીં ને કાપવાનું હોય તો ઉછેરીશ નહીં. જેણે જગત કલ્યાણના નિમિત્ત બનવાનો ભેખ લીધો છે, એને જગતમાં કોણ આંતરી શકે ? કોઈ શક્તિ નથી કે એને આંતરી શકે. આખા બ્રહ્માંડના સર્વ દેવલોકો એની પર ફૂલ વરસાવી રહ્યાં છે. એટલે એ એક ધ્યેય નક્કી કરો ને ! જ્યારથી આ નક્કી કરો ત્યારથી જ આ શરીરની જરૂરિયાતની ચિંતા કરવાની રહેતી નથી. જ્યાં સુધી સંસારીભાવ છે ત્યાં સુધી જરૂરિયાતની ચિંતા કરવી પડે. જુઓને, આ ‘દાદા’ને કેવી જાહોજલાલી છે ! આ એક જ પ્રકારની ઇચ્છા રહે તો પછી એનો ઉકેલ આવી ગયો. અને દેવસત્તા તમારી જોડે છે. આ દેવો તો સત્તાધીશ છે, એ નિરંતર હેલ્પ આપે એવી એમને સત્તા છે. આવાં એક જ ધ્યેયવાળા પાંચની જ જરૂર ! બીજો કોઈ ધ્યેય નહીં, અદબદવાળો નહીં ! અડચણમાં એક જ ધ્યેય ને ઊંઘમાં પણ એક જ ધ્યેય !! જે વાટે વહ્યા, વધાવ્યા તે જ વાટે‘દાદા’ જે રસ્તે ગયા છે, એ જ રસ્તો તમને બતાવ્યો છે. એ જ રસ્તે ‘દાદા’ તમારાથી આગળ છે. કંઈ રસ્તો જડશે કે નહીં જડે ? પ્રશ્નકર્તા : જડશે. દાદાશ્રી : સો ટકા ? નક્કી ? પ્રશ્નકર્તા : હા, સો એ સો ટકા નક્કી ! દાદાશ્રી : ‘દાદા’ તો બધા રોગ કાઢવા આવ્યા છે. કારણ કે ‘દાદા’ સંપૂર્ણ નીરોગી પુરુષ છે. એમનાં આધારે જે રોગ કાઢવા હોય, તે જતા રહેશે. એમનામાં કોઈ પણ રોગ નથી, સંસારનો એક પણ રોગ એમનામાં નથી. એટલે જે જે રોગ તમારે કાઢવા હોય તે નીકળી જશે. (પા. ૩૦૩)એટલાં માટે અમે તમને કહીએ છીએ કે પછી પોતાની મેળે તમે પોલ મારશો તો તમને માર પડશે. અમે તમને ચેતવી દઈએ. અત્યારે રોગ નીકળશે, પછી નહીં નીકળે. જો મારામાં સહેજ પણ પોલ હોત તો તમારો રોગ ના નીકળે. હિંમત આવે છે કાંઈ ? પ્રશ્નકર્તા : હા, પૂરેપૂરી હિંમત આવે છે. દાદાશ્રી : ‘દાદા’ની આજ્ઞા તમારે નથી પળાતી બરોબર ? આપણો આજ્ઞા પાળવાનો ધર્મ છે. પછી જે માલ નીકળે તેને, આપણે શી લેવાદેવા ? કૉલેજના છેલ્લા વર્ષમાં ભણતો હોય અને કંઈક લહેરમાં પડી ગયો ને નાપાસ થયો, તો આખું વર્ષ ઉદાસીન રહ્યા કરે તો શો ફાયદો થાય ? બીજી સાલ શું થાય ? પહેલે નંબરે પાસ થાય ? આવું ડીપ્રેશન થાય તો સાત વર્ષ સુધી એ પાસ ના થાય. એટલે આપણે નાપાસ થયા, એ ભૂલી જવાનું અને નવેસરથી ને નવી રીતે ફરી તૈયારી કરવાની. જે કર્મ થઈ ગયાં છે, તેને મેલોને પૂળો ! એકનો એક છોકરો મરી જાય તો કાયમ રડવાનું ? મેર ચક્કર, બે દહાડા રડવું હોય તો રડ ને પછી બજારમાં કુલ્ફી ખા. એટલે આપણે નાપાસ થયા તો નવેસરથી વાંચવાનું શરૂ કરી દેવાનું, પેલું બધું ભૂલી જવાનું. એટલે નવેસરથી આપણે આજ્ઞામાં રહો બરોબર ! આપણે કહીએ, ‘ચંદ્રેશ, આ તો બહુ ઊંધું કર્યું.’ આટલું આપણે કહી દેવું, બસ. પછી પાછું આપણે આજ્ઞામાં જ રહેવું. પછી આપણે શા માટે ચૂકીએ ? અને ‘ચંદ્રેશ’ તો આપણો પાડોશી છે ને ? ફર્સ્ટ નેબર, ફાઈલ નંબર વન છે ને ? અને નાદારી યે ચંદ્રેશની ગઈ ને ? ‘તારી’ તો નાદારી નથી ને ? કે બેઉએ સાથે નાદારી કાઢી છે ? ચંદ્રેશ નાદાર થઈ જાય, તેમાં આપણે શી લેવાદેવા ? પણ અમે આ કહીએ છીએ, તે તમને પાછાં ફરવા માટે. પછી એનો દુરુપયોગ ના થવો જોઈએ કે દાદાજી એમ કહેતા હતા કે નાદારીનો વાંધો નથી. આ તો અહીંથી બચાવવા જાય તો આમ લપસી પડે, તો આનો ક્યાં પાર આવે ? આપણે કહી દેવું, ‘ચંદ્રેશ નાદાર થઈ ગયો છે, હવે ફરી નાદાર ના થઈશ !’ તમને કહ્યું છેને, ફાઈલ નંબર વન, ફર્સ્ટ નેબર છે. તો આપણે આજ્ઞામાં રહેવું એ જ ધર્મ છે. (પા. ૩૦૪)‘દાદા’ કહેતાં જ દાદા હાજરપ્રશ્નકર્તા : આપની હાજરીમાં આ બધું એકદમ ચોખ્ખું થઈ જાય એવા બધાંને આર્શીવાદ આપજો. દાદાશ્રી : આશીર્વાદ અમે એવાં આપીએ છીએ. પણ આ તો ચોખ્ખું કરે તો ને ! પ્રશ્નકર્તા : ચોખ્ખું કરી નાખીશું. દાદાશ્રી : આપણે તો આપણું કામ કાઢી લેવાનું છે. આની પૂર્ણાહુતિ માટે જ શરીર ઘસી નાખવાનું છે. જો આ કર્મો ખપાવેલા હોત ને આ જ્ઞાન મળે તો એક કલાકમાં જ એનું કામ પૂર્ણ થઈ જાય. પણ આ તો કર્મ ખપાવેલા નથી, રસ્તે જતાંને જ્ઞાન આપ્યું છે. એટલે મહીં કર્મના ઉદય ફરે છે ત્યારે બુદ્ધિનું અજવાળું ફેરવી દે છે, તે ઘડીએ ગૂંચાય. હવે ગૂંચાય ત્યારે ‘દાદા’ ‘દાદા’ કર્યા કરવું ને કહીએ, ‘આ લશ્કર ગૂંચવવા આવ્યું છે.’ કારણ કે હજુ એવાં ગૂંચવનારા મહીં બેઠા છે, માટે ચેતતા રહેજો. ને તે વખતે ‘જ્ઞાની પુરુષ’નો આશરો જબરજસ્ત રાખજો. મુશ્કેલી તો કઈ ઘડીએ આવે, તે કહેવાય નહીં. પણ તે ઘડીએ ‘દાદા’ની સહાય માગજો, સાંકળ ખેંચજો તો ‘દાદા’ હાજર થઈ જશે. હવે તો એક પળ ગુમાવવા જેવી નથી. આવો અવસર ફરી ફરી નહીં આવે, એટલે કામ કાઢી લેવું જોઈએ. એટલે અહીં જો જાગૃતિ રાખી તો બધાં કર્મો ભસ્મીભૂત પામશે ને એક અવતારી થઈને મોક્ષે ચાલ્યો જઈશ. મોક્ષ તો સરળ છે, સહજ છે, સુગમ છે. ધ્યેયીને ધરે હાથ દાદા સદાહું તમને હેલ્પ કરું છું, બાકી ડિસીઝન તમારે લેવાનું. તમારે બધાંએ ફાધર-મધર અને છોકરાંઓએ સમાધાનકારક થઈને ડિસીઝન લેવાનું. તમારે બધાંને સમાધાનકારક આવે એવું તમે ડિસીઝન લો, પછી અમે હેલ્પ કરીએ. તમે જે લાઈનમાં હો, એ લાઈનમાં હેલ્પ કરીએ. એક પૈણ્યા હોય તોય અમને વાંધો નથી અને ના પૈણો તોય વાંધો નથી. પણ તમારું બધાનું (પા. ૩૦૫)ડિસીઝન સમાધાનપૂર્વકનું હોવું જોઈએ. નહીં તો પછી બધાંની અમારા તરફની બૂમ આવે અને જે માણસને અમારા માટે બૂમ આવે, તો એ માણસને અમારા માટે અભાવ આવે તો એનું અવળું થાય. એટલાં માટે હું આ કશામાં પડતો નથી. સામાનું અવળું થાય, એમાં જવાબદારી મારી છે. મારા પર સહેજ અભાવ આવે તો એને શું થાય ? એટલે અમે અમુક કાયદેસર જ રાખીએ. કાયદેસરની બહાર અમે પડીએ નહીં. કાયદાની બહાર અમે ચાલીએ નહીં. એનાં જે લૉ એ લૉ, એમાં જ રહેવું પડે. મન-વચન-કાયા, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ; બધું દાદાને અર્પણ કરીને ‘હું અનંત શક્તિવાળો છું, હું અનંત બ્રહ્મચર્ય શક્તિવાળો છું’ એવું બધું આપણે બોલાય. કારણ કે આ વિષયમાંથી પાર નીકળવું, આ ઉંમર પસાર કરવી એ બધું બહુ વહમું છે. દાદા તો, તમારે આમ જવું હોય તો આમ મદદ કરે અને આમ પૈણવું હોય તો પૈણવામાં મદદ કરે. દાદાને કશું આમાં લેવાદેવા નહીં. તમે તમારે નક્કી કરો ! તમારામાં શું માલ ભરેલો હોય એ ? હું ક્યાં ઊંડો ઊતરું અને મને એવો ટાઈમેય ના હોય. એટલે તમારી દુકાનનો માલ તમારે જાણવાનો. એટલે બધાંએ પોતાની મેળે સમજી લેવાનું. હું શું કહું છું કે પૈણજો, તોય આપણો કંઈ મોક્ષ જાય એવો નથી. ના પૈણવું હોય તો આ નિશ્ચય મજબૂત કરો અને આમાં સ્ટ્રોંગ રહો. બેમાંથી એક તરફની એક્ઝેક્ટનેસ ઉપર આવી જવું જોઈએ. નહીં તો બાકી બધી તો અથડામણ થશે. વિચારો આવે, તે વિચારો બધા જોવાં. વિચાર તો ખરાં-ખોટાં આવે જ ! જે ભર્યા છે એ આવે, ને આવે છે તો એ એટલાં જતાં રહે, ચોખ્ખું કરીને જાય છે. એટલે વિચાર ખરાબ આવે તો ગભરાવું નહીં. આ પહેલાં તો બ્રહ્મચર્ય નહોતું, જ્ઞાન નહોતું ત્યારે દરેક ખરાબ વિચાર જોડે તન્મયાકાર થઈને તે પ્રમાણે કરતો હતો ને ? અત્યારે તન્મયાકાર થાય નહીં અને ખરાબ વિચાર આવે એટલું જ. પણ તે આપણે જોવા ને જાણવા. ખરાબ ને સારું-ખોટું ભગવાનને ત્યાં નથી. એ બધું ડિસ્ચાર્જ થયા કરે છે. એ બધો મનનો સ્વભાવ છે. તમારે બધાંએ તો રોજ ભેગા મળીને એકાદ (પા. ૩૦૬)કલાક બ્રહ્મચર્યસંબંધી સત્સંગ રાખવો. આપણે તો મોક્ષ સાથે કામ છે ને ? અને તમારે પૈણવું એમ જબરજસ્તીય અમે ના કરીએ. અમારે કોઈ જાતનો આગ્રહ ના હોય. કારણ કે તમારે ગયા અવતારમાં બ્રહ્મચર્યનો ભાવ ભરેલો હોય તો ‘પૈણો’ એવું દબાણ પણ અમારાથી કરાય નહીં ને ! એટલે અમારે તો ‘આમ જ કરો’ એવું કશું બોલાય નહીં. તમારી મજબૂતી જોઈએ. અમે વારે ઘડીએ તમને વિધિ કરી આપીશું અને અમારું વચનબળ કામ આપશે, હેલ્પ કરશે ! એટલે આમ જવું હોય તો આમ, એ નક્કી તમારે કરવાનું. પ્રશ્નકર્તા : એ નક્કી તો કરી જ લીધું છે. દાદાશ્રી : હા, નક્કી કર્યું છે અને વ્રતેય લીધું છે. પણ વ્રતમાં ભંગ થયો હોય તો આપણે પશ્ચાત્તાપ લેવો પડે. આપણે અહીં એક-એક કલાક પ્રતિક્રમણ કરે છે. મનનો સહેજ ફેર થયો હોય, મોઢા પર નહીં પણ વિચારથી, અને બીજું કશું કર્યું ના હોય પણ વર્તનમાં સહેજ ટચ થયો હોય અને ટચનો આનંદ થયો હોય, આમ હાથ અડાડવામાં એવું થાય તો તમારે એક કલાક એનું પ્રતિક્રમણ કરવું પડે. એટલે આવું તેવું બધું કરશો તો આમ આગળ ફાવશો અને જો આમાંથી તરી પાર ઊતર્યા અને ૩૫-૩૭ વર્ષ થઈ ગયા તો તમારું કામ થઈ ગયું. એટલે આ દસ-પંદર વર્ષ દુકાળનાં કાઢવાનાં છે ! અને આ આપણું જ્ઞાન છે, તેથી આ બધું કહું ને ! નહીં તો બ્રહ્મચર્ય પાળવાનું કોઈનેય ના કહું. આ બ્રહ્મચર્ય તો કળિયુગમાં કરવા જેવી ચીજ ન હોય. આ કળિયુગમાં બધે જ્યાં ને ત્યાં વિચારો જ મેલા અને તમારું તો ટોળું જ જુદું એટલે ચાલે. તમે બધાં તો એક વિચારનાં અને તમે બધાં જોડે રહો તો તમને બધાંને એમ જ લાગે કે આપણી દુનિયા આ આટલી, બીજી આપણી દુનિયા ન હોય, પૈણનારી દુનિયા આપણી ન હોય. આ દારૂડિયા બે-ત્રણ હોય, તે જોડે બેસીને પીવે ને પછી આપણે તો ત્રણ જ છીએ, હવે કોઈ છે જ નહીં, એવું બધું જાણે ! જેમ જેમ પોતાને ચઢતો જાય ને તેમ તેમ પછી શું બોલે ? હું, તું, તું આપણે ત્રણ જ જણ; બસ, આ દુનિયાના માલિક જ આપણે બધા. (પા. ૩૦૭)જ્ઞાની મટાડે અનંતકાળના રોગોતમે ચોખ્ખા છો તો કોઈ નામ દેનાર નથી ! આખી દુનિયા સામી થશે તોય હું એકલો છું. મને ખબર છે કે તમે ચોખ્ખા છો, તો હું ગમે તેને પહોંચી વળું એવો છું. મને સો ટકાની ખાતરી થવી જોઈએ. તમારાથી તો જગતને ના પહોંચી વળાય, એટલે મારે તમારું ઉપરાણું લેવું પડે છે. માટે મનમાં કશુંય ગભરાશો નહીં, જરાય ગભરાશો નહીં. આપણે ચોખ્ખા છીએ, તો દુનિયામાં કોઈ નામ દેનાર નથી ! આ દાદાની વાત દુનિયામાં ગમે તે કોઈ કરતું હશે તો આ દાદો દુનિયાને પહોંચી વળે. કારણ કે બિલકુલ ચોખ્ખો માણસ છે, જેનું મન સહેજ પણ બગડેલું નથી. આપણે ચોખ્ખા રહેવું. આપણે ચોખ્ખા છીએ તો તમારે માટે આ દાદા દુનિયાને પહોંચી વળશે. પણ તમે મહીં મેલા હોય, તો હું કેમ કરીને પહોંચી વળું ? નહીં તો પછી પૈણો. બેમાંથી એક ડિસીઝન તમારી મેળે લઈ લો ! હું આમાં વચ્ચે હેલ્પ કરીશ ને પૈણશો તો એમાંય તમને હેલ્પ કરીશ. હેલ્પ કરવી એ મારી ફરજ છે. પછી જો તમારો નિશ્ચય નહીં ડગી જાય એવું હશે તો હું તમને વાણીનું વચનબળ આપીશ. આ સત્સંગમાં રહેશો તો તમે પહોંચી વળશો, એની સો ટકાની ગેરન્ટી ! દાદા છે ત્યાં સુધીમાં બધા જ રોગ નીકળી જશે ! કારણ કે દાદામાં કોઈ રોગ નથી ! માટે જેને જે રોગ કાઢવા હોય તે નીકળશે. મારામાં પોલ હોત તો તમારું કામ ના થાત ! વિષયદોષ થવો એ મોટામાં મોટી જોખમદારી છે ! બધા અણુવ્રત, બધા મહાવ્રત તૂટે છે !! કરોડો અવતારેય વિષય છૂટે એવો નથી. આ તો એક જ્ઞાની પુરુષ પાસે એમની આજ્ઞામાં રહેવાથી છૂટે તેમ છે. અને અમને જો વિષયનો જરાક વિચાર આવતો હોય તોય તમારો વિષય ના છૂટે. પણ જ્ઞાની પુરુષને વિષયનો વિચાર પણ ક્યારેય નથી આવતો. માટે જેવું બ્રહ્મચર્ય પાળવું હોય એવું પાળી શકાશે. સાચો ભાવ છે ને ! સાચું નિમિત્ત અને સાચો ભાવ, એ બે જો ભેગા થાય તો આ જગતમાં કોઈ એને તોડનાર નથી. ભયંકર કૃપાને પાત્ર થવાય એવું છે. તમે તમારે ઘેર રહો અને દાદા એમને ઘેર રહે, તોય તમારે કૃપા રહ્યા કરે એવું જ છે, પણ તાર જોડતાં (પા. ૩૦૮)આવડવું જોઈએ ! એક જ તારમાં સહેજ ભૂલ હોય, તો પંખાને દબાવ દબાવ કરો તોય પંખો ના ફરે. માટે ફયુઝ બદલી લો ! તારમાં તો બહુ બગડી જવાનું નથી, કો’ક ફેરો સડી જાય છે, પણ ફયુઝ બદલવો પડે. આ તો કામ કાઢી લેવા જેવો અવસર આવ્યો છે. આ પતંગનો દોર તમને હાથમાં સોંપ્યો ! હવે પતંગ ગુલાંટ ખાય તો આમ દોર ખેંચજો. આ તો પતંગનો દોર હાથમાં નહોતો, ત્યાં સુધી પતંગ ગુલાંટ ખાય તો આપણે શું કરવાના હતા ? આ તો હવે પતંગનો દોર હાથમાં આવ્યો પછી વાંધો નહીં. (પા. ૩૦૯)[17] અંતિમ અવતારમાંય બ્રહ્મચર્ય તો આવશ્યકનીંદયાં વિનાનાં ખેતરોબ્રહ્મચર્યને તો આખા જગતે ‘એક્સેપ્ટ’ કર્યું છે. બ્રહ્મચર્ય વગર તો કોઈ દહાડો આત્મા પ્રાપ્ત થાય જ નહીં. બ્રહ્મચર્યની વિરુદ્ધ જે હોય, તે માણસને આત્મા કોઈ દહાડોય પ્રાપ્ત થાય નહીં. વિષય સામે તો નિરંતર જાગૃત રહેવું પડે, એક ક્ષણવાર પણ અજાગૃતિ ચાલે નહીં. પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યને અને મોક્ષને સાઢુ-સહિયારું કેટલું ? દાદાશ્રી : બહુ લેવાદેવા છે. બ્રહ્મચર્ય વગર તો આત્માનો અનુભવ જ ખબર ના પડે ને ! ‘આત્મામાં સુખ છે કે વિષયમાં સુખ છે’ એ ખબર જ ના પડે ને ?! પ્રશ્નકર્તા : તો પછી અબ્રહ્મચારીઓ મોક્ષે ગયેલા, તે કેવી રીતે ? જે જે મોક્ષે ગયેલા એ કંઈ બ્રહ્મચારીઓ નહોતા. દાદાશ્રી : એવો કોઈ નિયમ નથી. બ્રહ્મચર્ય પોતાને હોવું જોઈએ. અને ‘એ જરૂરી છે’, એમ એમાં એ ‘પોઝિટિવ’ હોવો જોઈએ. બ્રહ્મચર્ય માટે કોઈ દહાડો ‘નેગેટિવ’ થાય અને આત્મા પ્રાપ્ત થાય, એ વાત જ ખોટી છે. એને વિષય તો ઘણોય ના ગમતો હોય, છતાં કરવો પડતો હોય, તો આત્મા પ્રાપ્ત થાય. બાકી જે વિષયના તરફી હોય, તેને આત્મા પ્રાપ્ત થઈ શકે જ નહીં. વિષય સામે તો નિરંતર જાગૃત રહેવું પડે અને આત્મા પ્રાપ્ત થયા સિવાય જાગૃતિ જ ના આવે. જૈનના સાધુઓને જાગૃતિ નહીં રાખવાની અને બ્રહ્મચર્ય રહે. કારણ કે એ એકલા જ ઘઉં ચોખ્ખા કરીને (પા. ૩૧૦)લાવેલા હતા. એવાં ઘઉં ખેતરમાં વાવ્યા પછી એમને ખેતરમાં નીંદવાનું કશું રહે નહીં ને ! જ્યારે આ બધા ‘છોકરાઓ’એ તો બધું અનાજ ભેગું કરીને નાખેલું હતું. એટલે આમને હવે તો ઘઉં એકલાં રહેવા દેવાના અને બીજું બધું નીંદી નાખવાનું. તે નીંદી નીંદીને હવે દમ નીકળી જાય. આમને રોજ પાછું નીંદવું પડે, નહીં તો પછી ઘઉં ભેગું બીજું બધુંય ઊગી નીકળે. કોદરા થાય, એરંડા થાય, બધું થાય. આમણે આત્મા પ્રાપ્ત કર્યો એટલે જાગૃતિ ઊભી થઈ ગઈ. એટલે હવે નિરંતર જાગૃત રહી શકે. પ્રશ્નકર્તા : અમારા જેવાને જલદી ના નીંદાય. કારણ કે અમે ધરો (ઘાસ) લઈને આવ્યા હોઈએ. દાદાશ્રી : તમારે નીંદવાની જરૂર જ નથી. તમારે કંઈ બોમ્બે સેન્ટ્રલ જવું નથી. તમારે તો માઉન્ટ આબુ ફરવા જવું છે ને ? જેને બોમ્બે સેન્ટ્રલ જવું છે, તેની વાત જુદી છે. માઉન્ટ આબુ જેને ફરવા જવું હોય તેને કશું નીંદવાની જરૂર નથી. પ્રશ્નકર્તા : કેટલુંક નીંદામણ એવું હોય છે કે એનાં માટે સખત પરિશ્રમ કરવો પડે, તો એ નીંદામણને શું કરીએ ? દાદાશ્રી : એનાં કરતાં નીંદવાનું જ રહેવા દેવાનું ને મહીં જે પાક્યું તે ખરું. બહુ નીંદામણ હોય ત્યારે ક્યાં માથાકૂટ કરીએ ? નીંદવાની પણ હદ હોવી જોઈએ. પ્રશ્નકર્તા : છતાંય નીંદવું હોય તો શું કરવું ? દાદાશ્રી : ખેડી નાખવું, ઉખેડી નાખવું. પછી ફરી ડાંગરના છોડવા રોપી આવવા. આ ત્યાગીઓ બ્રહ્મચર્ય પાળે છે, તે પહેલાં ચોખ્ખું કરીને લાવેલા છે. એટલે એમને નીંદવું પડતું નથી. એટલે ઊંઘમાંય બ્રહ્મચર્ય ચાલ્યા કરે છે. નૂર ઝળકે બ્રહ્મચર્યનુંસાચું બ્રહ્મચર્ય તો એનું નામ કહેવાય કે મોઢા પર જબરજસ્ત નૂર (પા. ૩૧૧)હોય. બ્રહ્મચારી પુરુષ તો કેવો હોય ? આ છોકરાઓમાં ક્યાં તેજ દેખાય છે ? કારણ કે આ બધા ‘ઓવર ડ્રાફટવાળા’ છે. એટલે જેટલી બેન્કોએ ધીરેલું એટલું બધુંય લઈને આવેલા છે. તે અત્યારે જે બ્રહ્મચર્ય પાળે છે, તે ઊલટું બેન્કોમાં ભરી ભરીને થાકે છે. હજુ તો બેન્કોમાં ‘પાર વેલ્યુ’ નથી થઈ. ‘પાર વેલ્યુ’ થયા પછી મોઢાં પર લાઈટ આવશે. એ લાઈટ આવતાં આવતાં તો ઘણો ટાઈમ લેશે. છતાંય આમને ચોવીસેય કલાક જાગૃતિ રહે છે. કારણ કે આત્મા પ્રાપ્ત થયો છે, એટલે આત્માની જાગૃતિવાળા છે. પાછું આ બ્રહ્મચર્ય માટેની પણ જાગૃતિ જોઈએ. વખતે આત્માની બાબતમાં જાગૃતિ ના હોય અને જરા ઝોકું આવી જાય તો ચાલે, પણ બ્રહ્મચર્ય માટે તો જરાય ઝોકું ખાય તો ચાલે જ નહીં ને ! ચોગરદમ સાપ પેસી ગયેલા દીઠા, તેમને ઊંઘ આવે નહીં. જેમણે નથી જોયા, તે ઊંઘી જાય. સાપ જોઈ લીધા પછી શી રીતે ઊંઘે ? આ છોકરાઓ દીક્ષા લેવાની ભાવનાવાળા છે. પોતાનો મોક્ષ તો મહીં થઈ ગયેલો હોય. એટલે એ તો ખોળવાની ઇચ્છા જ ના હોય ને ?! પોતાનો મોક્ષ થયો હોય તો જગતકલ્યાણ કરવાની ભાવના થાય, નહીં તો પોતાનું જ કલ્યાણ ના થયું હોય, ત્યાં જગતકલ્યાણ કરવાની ભાવના શી રીતે થાય ? એટલે આ બ્રહ્મચારીઓ બધા શું કહે છે કે, ‘અમારું તો કલ્યાણ થઈ ગયું, હવે અમારે જગતનું કલ્યાણ કરવું છે, તો અમારે શું કરવું જોઈએ ?’ ત્યારે મેં એમને કહ્યું, ‘હવે પૈણી લો.’ ત્યારે એ કહે છે કે, ‘ના, અમારે પૈણવું તો છે જ નહીં. જગતનું કલ્યાણ કરવા માટે પૈણવાથી વચ્ચે હરકત થાય એવું છે.’ ત્યારે મેં તેમને કહ્યું કે, ‘તો તું બ્રહ્મચર્ય પાળ, તો તું જગતનું કલ્યાણ કરી શકીશ.’ બેમાં કયું ઊંચું ?પ્રશ્નકર્તા : આવડાં છોકરા બ્રહ્મચર્યમાં શું સમજી શકે ? બ્રહ્મચર્ય તો અમુક ઉંમર પછી આવે ને ? દાદાશ્રી : ના, આ લોકો તો બ્રહ્મચર્યનું ખરું સમજી ગયા છે ! એવું છે ને, કે આ તો આપણને એવું લાગે છે, પણ તેર વર્ષ પછી એ (પા. ૩૧૨)બ્રહ્મચર્યનું સમજતો થાય. કારણ કે તેર વર્ષનો થાય, ત્યારથી ઈમોશનલ થયા વગર રહે જ નહીં. પછી એ મોશનમાં રહી શકે નહીં. પ્રશ્નકર્તા : હવે બે પ્રકારનાં બ્રહ્મચર્ય છે. એક, અપરિણીત બ્રહ્મચર્ય દશા ને બીજો પરણીને પાળતો હોય, તેમાં ઊંચું કયું ? દાદાશ્રી : પરણીને પાળે તે ઊંચું કહેવાય. પણ પરણીને પાળવું મુશ્કેલ છે. આપણે ત્યાં કેટલાંક પરણીને બ્રહ્મચર્ય પાળે છે, પણ તે ચાલીસ વર્ષ પછીના છે. પ્રશ્નકર્તા : તો પછી પરણ્યા વગરનું બ્રહ્મચર્ય પળાય છે, તે ‘અનટેસ્ટેડ’ થયું ના કહેવાય ? દાદાશ્રી : ના. એ ‘અનટેસ્ટેડ’ નથી. એને પોતાને જ પૈણવામાં રુચિ ના હોય, તેને કોઈ શું કરી શકે ? પૈણવામાં જ રુચિ ના હોય, તેને આપણાથી જબરજસ્તી કેમ કરાય ? જબરજસ્તી કરાય ખરી ? હું તો દરેકને શું કહું છું કે તમે બે પૈણો, મોક્ષને માટે તમને વાંધો આવશે નહીં. મારું જ્ઞાન આપેલું છે, તે જ્ઞાન જ તને મોક્ષે લઈ જાય એવું છે, પણ ખાલી અમારી આજ્ઞા પાળજે. આ પૈણવું એ તો જોખમ જ છે ને ! પણ છેલ્લાં અવતારમાં છેલ્લાં દસ-પંદર વર્ષ સુધી જુદું રહેવું પડે; ત્યારે આ લોકો પહેલેથી રહે છે, આમાં શું ખોટું કરે છે ?! જેનાથી પહેલેથી જુદું ના રહેવાય, તેના માટે આ રસ્તો છે કે પૈણો. બીજું શું થાય ? અને એવો કાયદો હોય જ નહીં કે પૈણેલાનો મોક્ષ ના થાય અને ના પૈણેલાનો મોક્ષ થાય. ઊલટું આ ચારિત્રવાળાનો મોક્ષ થાય. પૈણેલાનેય છેવટે દસ-પંદર વર્ષ છોડવું પડશે. બધાંથી મુક્ત થવું પડશે. મહાવીર સ્વામી પણ છેલ્લાં બેંતાલીસ વર્ષ મુક્ત થયા હતા ને ! આ સંસારમાં સ્ત્રી સાથે તો પાર વગરની ઉપાધિ છે. જોડું થયું કે ઉપાધિ વધે. બેનાં મન શી રીતે એક થાય ? કેટલી વાર મન એક થાય ? ચાલોને, કઢી બેઉને સરખી ભાવી, પણ પછી શાકમાં શું ? ત્યાં મન એક થાય નહીં ને દહાડો વળે નહીં. મતભેદ હોય ત્યાં સુખ હોય નહીં. જેના વિષય છૂટ્યા, એને મઝા ! એ આનંદ પણ એવો જ લૂંટવાનો (પા. ૩૧૩)હોય ને ?! એય અપાર આનંદ !! એ આનંદ તો દુનિયાએ ચાખ્યો જ ના હોય, એવો આનંદ ઉત્પન્ન થઈ જાય. પાંત્રીસ વર્ષનો પીરિયડ કાઢી નાખે ત્યારે અપાર આનંદ ઉત્પન્ન થાય. વિચારક હોય, તેને તો વિષય ગમે જ નહીં ને ? આ બ્રહ્મચારીઓને ઉદય આવ્યો છે, એ જ ધન્યભાગ્ય કહેવાય ને ? પાંસરી રીતે પાર પાડવું પડે. પહેલાં પોતાની જાત પર શ્રદ્ધા હોવી જોઈએ. બાકી, વિષયની જરૂરિયાત તો જે સુખી હોય, તેને હોય જ નહીં. બહુ માનસિક મહેનતવાળાને વિષયની જરૂરિયાત છે. બહુ મહેનત કરતા હોય, તેને બહુ બળતરા ઊભી થાય. તે સહન થાય નહીં, તેથી વિષયમાં પડે છે. હું આ બધા છોકરાઓને સમજણ પાડું છું કે પૈણ્યા પછી ફસામણ થાય. પાછાં અત્યારના છોકરાઓ એવાં છે કે વહુ આગળ એમનો જરાય ‘ઑ’ (પ્રભાવ) નથી પડતો. ‘ઑ’ પડે, તેને તો પોતે કશું ના બોલે તોય વહુને ગભરામણ થઈ જાય. આ તો એને બદલે વહુનો ‘ઑ’ પડે છે. પણ જેના મનમાં એવા ભાવ હોય કે મારે લગ્ન સિવાય ચાલે એવું જ છે, એવું જેનું સ્ટ્રોંગ માઈન્ડ હોય ત્યારે એનાથી બ્રહ્મચર્ય પાળી શકાય. આમાં ઉપરછલ્લું ના ચાલે. ‘આ સંસારમાં તો દુઃખ છે, તેથી મારે નથી પૈણવું.’ એવું ભયના માર્યા બોલે તો, એવું ના ચાલે. ચારિત્રબળથી ફફડે સ્ત્રીઓઅત્યારે તો આ શાથી પૈણવાનું ના કહે છે ? ભાગેડું વૃત્તિ, ભાગી છૂટો, નહીં તો ફસાયા ! પ્રશ્નકર્તા : એવું જ હોવું જોઈએ ને ! આ વિષયસંબંધી અને આ સંસારસંબંધથી, સ્ત્રીસંબંધથી તો ભાગેડુ વૃત્તિ જ હોવી જરૂરી છે ને ? દાદાશ્રી : એટલે કાલે સ્ત્રી હાથમાં હાથ ઝાલે તો કંઈ રડી પડવાનું ? પ્રશ્નકર્તા : પણ ગમે તેમ છટકબારી શોધીને જતું રહેવાનું, છટકબારી શોધીને નાસી તો જવાનું ને ? (પા. ૩૧૪)દાદાશ્રી : ના, પણ હાથ ઝાલે તો શું થઈ ગયું ? ઊલટી એ ગભરાય આપણાથી. એટલે હાથ ઝાલતાં એને ગભરામણ થાય, એને ફટાકા મારે. આ તો આને ફટાકા મારે. ‘હવે શું થશે, હવે શું થશે ?’ અલ્યા, શું થવાનું ? પ્રશ્નકર્તા : ‘મને કશું નહીં થાય.’ એવું નીડર તો ના થઈ જવાય ને, સ્ત્રી હાથ પકડે તો ? દાદાશ્રી : એ તો ચારિત્રબળ જોઈએ. આમ આવું ના ચાલે. કોઈ હાથ ઝાલે તો આમ ફટાકા મારે ! એ તો ચારિત્રબળ જોઈએ. જોતાં જ બિચારીને ગભરામણ થઈ જાય. બેન જાણે કે માથાનો કો’ક મળ્યો. પ્રશ્નકર્તા : એટલે એમને ચારિત્રબળ નહીં હોય ? આ ભાગેડું વૃત્તિવાળાને. દાદાશ્રી : શાનું ચારિત્રબળ હોય ? ચારિત્રબળવાળાં હોતા હશે ? આવાં હોય આ તો ? પ્રશ્નકર્તા : તો આપ એક બાજુ કહો છો કે હાથ પકડે, ત્યાં રડવાનું નહીં ને ! દાદાશ્રી : શી રીતે રહે તે ? આમને તો મહીં ફટાકા મારે, આમ ગભરામણ થઈ જાય. પ્રશ્નકર્તા : એક બાજુ ચારિત્રબળ નથી આવ્યું અને બીજી બાજુ એમની આ ભાગેડું વૃત્તિ છે તો બરાબર છે ? દાદાશ્રી : કોણ ના પાડે છે ? પણ જો ભાગેડું વૃત્તિ વગર હોય ને, ત્યારે ખરું કહેવાય. પ્રશ્નકર્તા : તો આ ભાગેડું વૃત્તિવાળાને પોતાને ખબર કેમની પડે કે આ ચારિત્રબળ આવ્યું ? દાદાશ્રી : હાથ ઝાલે એટલે ! આપણે એકલાં હોઈએ ને હાથ ઝાલે ત્યારે ફટાકા ના મારે તો જાણવું કે ચારિત્રબળ આવ્યું. આ તો ફટાક, ફટાક, ફટાક... (પા. ૩૧૫)ન થાય દબાણ બ્રહ્મચર્યમાં...આ બધા છોકરાઓ બ્રહ્મચારી રહેવાના. મેં તેમને કહ્યું કે પૈણો. ત્યારે છોકરાઓ કહે છે કે, ‘ના, અમારે બ્રહ્મચારી રહેવું છે.’ હવે, અમારાથી એમને પૈણવા માટે દબાણ પણ ના કરાય. કારણ કે એમણે પૂર્વે ભાવના ભાવેલી હોય. દબાણ કરવું તેય ગુનો છે અને પૈણતો હોય તેને ના પૈણવાનું કહે તેય ગુનો છે. પ્રશ્નકર્તા : તમને એવું લાગે કે આને પૈણવાની જરૂર છે. તો તમે એને કહો ? દાદાશ્રી : ખુશીથી. હું તો એને કહું કે તું બે પૈણ. પ્રશ્નકર્તા : ના, એમ નહીં. તમને જ્ઞાનદ્રષ્ટિથી દેખાય ? તમે જુઓ કે આને પૈણવાની જરૂર છે એવું ? દાદાશ્રી : ના, જ્ઞાનદ્રષ્ટિથી હું કશું જોઉં નહીં. એવો વખત હું બગાડું નહીં અને જ્ઞાનદ્રષ્ટિ એવી વાપરવા જેવી પણ નથી. એનો અર્થ શું થયો કે ભવિષ્ય જોવાની ટેવ પડી અને ભવિષ્ય જોવાની જેને ટેવ પડે, એ તો બાવો કહેવાય. પછી અહીં પણ લોક પૂછવા આવે કે મારે છોકરાને ઘેર છોકરો થશે કે નહીં થાય ? એટલે એ ભાંજગડમાં અમે પડીએ નહીં. મને તો લોક પૂછવા આવે તો હું કહું કે ભવિષ્યનું તો હું જાણતો જ નથી. ‘કાલે મારું જ શું થશે ?’ એ હું જાણતો નથી ને ! રાજા-રાણીના છૂટાછેડા, પૈણતાં પહેલાંએક ભઈ આવેલો કહે છે, ‘હું પૈણીશ નહીં.’ પછી બે-ત્રણ વર્ષ બ્રહ્મચર્ય પાળ્યું. પછી એક દા’ડો છોડીને લઈ આવ્યો. ત્યારે કહે, ‘દાદાજી, અમારે બેના લગ્ન થાય એવી આ તમે વિધિ કરી આપો.’ ‘અલ્યા, બ્રહ્મચર્ય લેવાનું હતું. આ શું કરું છું તું ?’ ત્યારે એ લોકોએ શું કહ્યું ? પ્રશ્નકર્તા : દાદાજીના બોલતાંની સાથે જ તે જ ક્ષણે કહે છે, ‘તમે કહો તો આજથી છૂટા.’ (પા. ૩૧૬)દાદાશ્રી : ‘તમે ફરી હવે બેઉની બ્રહ્મચર્યની વિધિ કરી આપો.’ કહે છે. ‘લે, અલ્યા મૂઆ, પૈણ ચડેલું ઊતરી શી રીતે ગયું ?’ કે દા’ડાનું પૈણ ચડેલું હોય ! આપણે ચા પીવાનો વિચાર કરીને ગયા હોય તોય ચાનો વિચાર એકદમ બંધ ના થઈ જાય અને આ તો કહે છે, ‘અમને બ્રહ્મચર્યની વિધિ કરી આપો.’ ‘બેઉ ખરાં ફૂટી ગયા !’ મેં કહ્યું, ‘હવે નથી પૈણવું ? અલ્યા, પૈણોને ! મને વાંધો નથી. મારે શો વાંધો હોય ?’ તમે તો પહેલાં ના કહી ગયેલા. એટલે તમને ચેતવું કે ‘ભઈ, ના કહેતો હતો, વળી પાછો વેપાર શું કરવા માંડે છે ?’ પણ છતાં અમે વાંધો કશો ના કરીએ. કો’કની છોડીનું ભાગ્ય ખીલ્યું હોય બિચારીનું, એણે છે તે પીપળા પૂજ્યા હોય. આવો ભણેલો ધણી ક્યાંથી મળે ? કેટલાંય પીપળા પૂજ્યા હોય ! પ્રશ્નકર્તા : અહીં તો આખું છૂટવાનું વિજ્ઞાન શીખવાનું છે અને પછી પેલું ફરી ફસામણમાં તો જવાય જ નહીં ને ! એ તો આ આખો પરિચય કેળવીને પેલામાંથી કાયમની મુક્તિ મળે એવી આરાધના અહીં માંગીએ છીએ. દાદાશ્રી : આ બધું સમજી ગયેલાં છે લોકો. બહુ પાકાં થઈ ગયા છે, હોં ! હું તો નાણું તપાસી જોઉં, કાચા છે કે નહીં ? નથી નીકળતા કાચા. આય કાચો નથી પડતો. ‘કાચો છે’ ખબર પડે તો, તરત અહીં આગળ પેલા જૈનની છોડી હોય તો વળગાડી દઈએ. પ્રશ્નકર્તા : અહીં તો વિષયનું તો ખરું, એ બાજુ તો જવા જેવું જ નથી પણ બીજા કંઈ મોક્ષમાર્ગને બાધક દોષો થતા હોય, ત્યાંથી ભૂલેચૂકે એ દોષોમાં સ્લીપ ના થવાય, એ આખું મજબૂત કરી લેવાનું છે. દાદાશ્રી : ત્યાં તો દોષ ચાલે જ નહીં ને ! પોપાબાઈનું કંઈ રાજ એવું છે ? તમારા જેવા મોટી ઉંમરનાને સેફસાઈડ થઈ ગઈ. કારણ કે તમને કોઈ હરકત કરનારું રહ્યું નહીં ને ! આમને તો હજુ કેટલાંય જોખમો આવશે ! પ્રશ્નકર્તા : એ તો ખબર નથી પણ આમાં રહેવું છે, આ જ્ઞાનમાં- આજ્ઞામાં, આ સાયન્સમાં જ રહેવા જેવું છે. (પા. ૩૧૭)દાદાશ્રી : તો રહેવાશે. પ્રશ્નકર્તા : એ કેવાં કેવાં જોખમો આવે ? દાદાશ્રી : એમને દસ માઈલનો રસ્તો બાકી રહ્યો. તમારે આ સાતસો માઈલ બાકી છે. કેટલા બહારવટિયા મળશે, કેટલાં બધા ફસાવનારા મળશે ! પ્રશ્નકર્તા : તો એમાં સેફસાઈડનો રસ્તો કઈ રીતે કાઢવો ? આ તેમાં જોખમો સામે આવે ? દાદાશ્રી : એ તો આ સત્સંગમાં પડી રહે તો ચાલે, કુસંગમાં પેસે નહીં તો ચાલે. પ્રશ્નકર્તા : એક જ ઉપાય છે. દાદાશ્રી : આની આ જ વાતો મળ્યા કરે, જ્યાં જાય ત્યાં. કુસંગની વાત જ ના આવે. તો છૂટકો તરત થઈ જાય. પ્રશ્નકર્તા : આ મોટામાં મોટો ઉપાય જ આ છે, સત્સંગનું અનુસંધાન આખું ! દાદાશ્રી : સત્સંગના ભીડામાં રહેવું પડે. ભીડો ! ભીડ વાગે ત્યાં છૂટવું હોય તોય ના છૂટાય. વ્રતની વિધિથી, તૂટે અંતરાયોઆ છોકરાને બ્રહ્મચર્યના ભાવ છે. આ ભાવ તો ખોટો નથી ને ? એવા ભાવવાળાને આપણે શું કરવું ? આપણે એને ટેકો દેવો જોઈએ કે ટેકો લઈ લેવો જોઈએ ? પ્રશ્નકર્તા : ટેકો દેવો જોઈએ. દાદાશ્રી : એવાં ભાવ કોઈ કરતું હોય, પછી ગમે તે કરે, એને આપણે ટેકો દેવા તૈયાર છીએ. કારણ કે આપણી ઈચ્છા જ એવી છે. હવે એવા ભાવ તમે કરો તો સંજોગ બધા તમને એવાં જ ભેગા થઈ જાય. (પા. ૩૧૮)અમે તો વારે ઘડીએ આ છોકરાનો ટેસ્ટ લઈએ. એને લાલચ આપ્યા કરીએ કે પૈણને હવે, મેલને છાલ, પૈણવામાં તો બહુ મઝા છે. એનો ટેસ્ટ કરું કે એનું કાચું છે કે પાકું ! આ બ્રહ્મચર્ય વ્રત કોઈને અપાય નહીં. આ તો અમે એકાદ વર્ષ માટે કે બે વર્ષ માટે જ આપીએ છીએ. કાયમ આપવા માટે તો મારે કેટલી બધી પરીક્ષા કરવી પડે ! અમારું વચનબળ બ્રહ્મચર્ય પળાવે એવું છે, બધા અંતરાયો તોડી નાખે, તારી ઈચ્છા જોઈએ. તારી ઈચ્છા પ્રતિજ્ઞામાં પરિણમવી જોઈએ. હા, પછી તને અંતરાય આવે તો એ બધું અમારું વચનબળ તોડી નાખશે. કોઈ એક મોટો પાણીનો વેંકળો હોય અને કોઈ માણસથી તે કૂદાતો ના હોય તો પાછળ જઈને હું એને કહું કે, ‘એય કૂદી જા.’ તો એ પાછો કૂદી જાય. આમ જાતે કૂદાય એવી શક્તિ ના હોય, તોય કૂદી જાય. કારણ કે આ શબ્દની પાછળ એને શક્તિ પ્રાપ્ત થાય છે. એવું અત્યારે આ છોકરાઓ બ્રહ્મચર્ય લેવા ફરે છે, તે બધાને અમે શક્તિ મૂકીએ, એ શક્તિપાત થાય. પણ આ શક્તિપાત જુદી જાતનો છે. જગતમાં જે શક્તિપાત થાય છે, તે ભૌતિક છે બધા. ખરી રીતે શક્તિપાત જેવી કોઈ વસ્તુ જ નથી. આ તો સામાને એમ લાગે કે મને શક્તિ પ્રાપ્ત થઈ ગઈ. આ બધું નિયમથી જ છે. કોઈ કોઈને આપતો નથી ને કશું દેતો નથી. આ તો પોતાની જ શક્તિનો ઉઘાડ થાય છે. જ્ઞાનીના બોલવાથી શક્તિનો ઉઘાડ થઈ જાય છે. એટલે પોતાના મનમાં એમ લાગે કે મને આ મહીં કશું નાખ્યું. આ બધા નિર્બળ જ હતા ને ! તે અત્યારે કેટલાં આનંદમાં છે, જાણે દાદાએ શક્તિ નાખી ! સાધના, ‘સંયમી’ના સથવારેપ્રશ્નકર્તા : આ બધા સંયમીને જોડે રહેવાનું હોય તો તો બીજે ક્યાંય એ જાય જ નહીં. દાદાશ્રી : હા, એવું પણ થઈ જશે. પણ ત્યાં સુધી હજી કેળવણી કરવાની જરૂર છે. હજી કેળવણી કાચી, તેથી જ એવું નથી થતું ને ? કેળવાયા વગર તો ત્યાં આગળ બધું ખોટું કહેવાય. માર ખાધા વગર ત્યાં (પા. ૩૧૯)આગળ જાય તો લોચો પડી જાય. ખૂબ માર ખાધો હોય, પદ્ધતિસરનો કેળવાયેલો હોય ને પછી ત્યાં જાય તો વાંધો નહીં. એટલે આજે અમે છોકરાઓને આ બ્રહ્મચર્યસંબંધીનું જ્ઞાન આપીએ છીએ કે જેથી અત્યારથી એમની લાઈફ બગડી ના જાય અને બગડેલી હોય, તેને સુધારવી કેવી રીતે અને સુધરેલી બગડે નહીં અને એની કેવી રીતે રક્ષા કરવી, એટલું અમે એમને શીખવાડીએ. અમે તો બધાને કહીએ છીએ કે પૈણો. બાકી પૈણવું કે ના પૈણવું એ એમના હાથની વાત નથી કે મારા હાથની વાત નથી કે તમારા હાથની વાત નથી. આ તો બ્રહ્મચર્ય ઝાલી પડ્યા છે, એટલે કંઈ એમના હાથમાં સત્તા છે ? કાલે સવારે શું પાછું મન ફરી જાય તો પૈણી બેસે અને ગમે તેટલું કરે, તોય ‘વ્યવસ્થિત’ના આગળ કોઈ પહોંચી વળ્યું નથી. પણ જે અત્યારે ઇચ્છા થાય છે ને, એમાં કો’કને દેખાદેખીથી ઇચ્છા થાય છે ને કો’કને સાચી ઇચ્છા પણ હોય. પણ ‘વ્યવસ્થિત’ જે કરે, તેને પછી કોઈ ઉપાય જ નથી ને ? તે અમે કોઈની જવાબદારી લેતાં નથી. અમે કોઈની જવાબદારી લઈએ નહીં. અમે તો એમને માર્ગ દેખાડીએ. જે રસ્તે ચાલવું હોય તે માર્ગ આપીએ. બાકી અમે વચનબળ આપીએ છીએ, પણ એમનું મહીં ઠેકાણું ના હોય તો તેને આપણે શું કરીએ ? આ વાણીના તો અમે માલિક નથી, એ રેકર્ડમાંથી માલ હતો તેટલી જ વાણી નીકળે. એમાં અમારે કંઈ લેવાદેવા નથી અને આમાં અમારે કંઈ પડી પણ નથી. અમારાથી તો એમેય ના કહેવાય કે ‘ભાઈ તું ના પૈણ.’ એવું દબાણ ના થાય. અમે એટલું કહીએ કે ‘તું પૈણ.’ કારણ કે ‘એ શું માલ ભરી લાવ્યો છે ?’ એને એ પોતે જાણતો હોય, એને આ બાજુનું ખેંચાણ મહીં અંદર રહ્યા કરતું હોય. કારણ કે ‘કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ્ ધેર શેડોઝ બીફોર.’ એટલે પોતાને ખબર પડી જાય કે ‘એના શેડોઝ શું છે ?’ એટલે અમે કશું દબાણ ના કરીએ. હવે આમાં ભાંજગડ ક્યાં આવે છે કે આમાં નકલો થાય તો. એય એમને કહું છું કે નકલી થશો તો માર ખાઈ જશો, નકલીપણું આમાં કરશો (પા. ૩૨૦)નહીં. એટલે હું આમને ચેતવ ચેતવ કરું છું કે ‘ભઈ, જો આમાં નકલી થઈ જશો તો અમે અડીશું નહીં, અમે એક્સેપ્ટ પણ નહીં કરીએ, અસલીને એક્સેપ્ટ કરીશું.’ નકલી હશે તો જોખમદારી પછી એની. અમે તો અસલી લાગે તો જ કંઈક પાછળ જોખમદારી લઈએ. પણ આ અમારે જરૂર જ ક્યાં છે ? અમે તો મોક્ષનો માર્ગ દેખાડવા આવ્યા છીએ. અમે એને આત્મજ્ઞાન આપ્યું અને કહ્યું, આજ્ઞા પાળજો. એટલે અમારી જવાબદારીનો ત્યાં એન્ડ થાય છે. પ્રશ્નકર્તા : એ નકલ કરે છે કે અસલ છે, એ કેવી રીતે પરખાય ? એ પોતે પારખી શકતો નથી, તેથી તો આપને કહે છે કે અમારું પારખણ કરી આપો. દાદાશ્રી : હું એમાં ક્યાં હાથ ઘાલું ? અમારે હાથ ના ઘલાય. અમારે તો બીજી બહુ જાતના ઉપયોગ રાખવા પડે. અમારે તો એટલાં બધા બીજા ઉપયોગ હોય છે કે આવી બાબતોમાં હું ઉપયોગ રાખવા જાઉં તો આનો પાર જ ના આવે ને ! અમે તો એનું અહિત ના થાય એવી ઠેઠ સુધી એની પાછળ અમારી હેલ્પ હોય જ. અમારે તો ચોગરદમના ચીપિયા હોય જ. એને મહીં માલ એવો ભરેલો હોય તો મારાથી એમેય ના કહેવાય કે તું પૈણ. તો બન્નેનું બગડે. બેનું નહીં, ઘરના બધાંનું બગડે. એટલે અમને તો એટ-એ-ટાઈમ બધી જાતના વિચાર આવે ને ? બાકી આ બધાનો મારે ક્યારે પાર આવે ! મારે તો તમને મોક્ષે લઈ જવાનો રસ્તો દેખાડવાનો. અમે તો બીજી બાજુનું હેલ્પ કરવાય તૈયાર છીએ. તે અસલ થશે, ત્યારે મને ખબર પડશે. બે-પાંચ વર્ષ પછી એય ખબર પડશે ને ? હજુ અત્યારે તો ‘ઑન ટ્રાયલ’ મૂકેલું છે. હા, અસલી થશે પછી મને ખબર પડશે. મને તો કોઈ સહેજ જ મહીં કાચો પડે તો માલમ પડી જાય છે અને જગત કંઈ છોડવાનું છે ? પોતાની પ્રકૃતિ કંઈ છોડે ? એટલે આપણે ‘ઑન ટ્રાયલ’ જોઈએ છીએ. અક્રમમાં આવી આશ્રમની જરૂરબાકી જેને બ્રહ્મચર્ય વ્રત જ લેવું હોય તો, એણે અબ્રહ્મચારીના સાથે (પા. ૩૨૧)રહેવું ના જોઈએ. એ ‘ટચ’ ના રહેવો જોઈએ. એમણે એમનાં જેવાં બ્રહ્મચારીના જ ટચમાં રહેવું જોઈએ. એટલે એમની એ વાત તો ખરી જ છે ને, કે બધા ભેગા થઈને રહે ? પ્રશ્નકર્તા : પણ અબ્રહ્મચારીઓની સાથે જ રહીને જ્યારે બ્રહ્મચર્ય વ્રત પાળે તો જ ખરું છે ને ? એ જ એને ટેસ્ટ છે ને ? દાદાશ્રી : નહીં. એવું અમારાથી ના કહેવાય અને એ કાયદો નથી. પ્રકૃતિનો કાયદો ના પાડે છે. એટલો બધો ટેસ્ટેડ માણસ, એ તો પછી ભગવાન જ કહેવાય ને ? પ્રશ્નકર્તા : આ તો બધું ટોળું ભેગું થઈ જશે પછી. દાદાશ્રી : એમ ને એમ કંઈ થાય ? આની પાછળ ‘વ્યવસ્થિત’ છે. ‘વ્યવસ્થિત’નો નિયમ ખરો ને ? આ ‘વ્યવસ્થિત’ કેવું છે કે રોજ અહીં આગળ જે બ્રહ્મચર્યનું કાર્ય કરતો હોય ને ત્રણ દહાડામાં ‘વ્યવસ્થિત’ એવું આવે કે પૈણી પણ જાય. એટલે આ ‘વ્યવસ્થિત’ છોડે એવું નથી. એટલે મારી પાસે ચોગરદમનો હિસાબ છે. માટે એવો કશો ભો રાખશો નહીં. ‘વ્યવસ્થિત’ ઉપર છોડી દો ને ! ‘વ્યવસ્થિત’ની બહાર કશું નથી થવાનું. એટલું તો તમને ખાતરી થઈ છે ને ? ‘વ્યવસ્થિત’ ઉપર થોડી ઘણી તો ખાતરી થઈ છે ને ? પ્રશ્નકર્તા : પૂરેપૂરી. દાદાશ્રી : આપણા માર્ગમાં આ આશ્રમ જેવું કશાની જરૂર જ નહીં. પણ આ તો આ બ્રહ્મચારીઓ થયા છે, તેથી આમને જરૂર. બાકી આપણા જ્ઞાનમાં તો મકાનનીય જરૂર નહીં ને કશાયની જરૂર નહીં. જ્યાં હોય, ત્યાં સત્સંગ કરવાનો ને ના હોય તો બહાર બગીચામાં ઝાડ નીચે સત્સંગ કરવાનો. પણ આ તો આ બ્રહ્મચર્યના પાળનાર થયા, એટલે આ પ્રશ્ન ઊભો થયો કે ‘બ્રહ્મચર્ય પાળવું’ એ ઘરમાં રહીને કોઈ માણસ પાળી શકે નહીં. એ તો બ્રહ્મચારીઓનું જૂથ જુદું જ હોવું જોઈએ. પ્રશ્નકર્તા : એમને વાતાવરણની જરૂર છે ? (પા. ૩૨૨)દાદાશ્રી : હા, વાતાવરણની જ જરૂર છે. વાતાવરણથી જ બ્રહ્મચર્ય પાળી શકાય છે. અને અબ્રહ્મચર્યનું પણ મુખ્ય કારણ વાતાવરણ જ છે. બાકી આત્મા તેવો નથી, આ તો બધી વાતાવરણોની અસરો છે. એટલે બ્રહ્મચર્ય એ સાયકોલોજિકલ ઇફેક્ટ છે અને અબ્રહ્મચર્ય એ પણ સાયકોલોજિકલ ઇફેક્ટ છે. પણ અબ્રહ્મચર્યની સાયકોલોજિકલ ઇફેક્ટ બહુ કાળની ગાઢ થઈ ગયેલી છે, એટલે એને ખબર ના પડે કે આ સાયકોલોજિકલ ઇફેક્ટ છે. બ્રહ્મચર્ય વિના ન જવાય મોક્ષે કદિઆજથી ચાલીસ વર્ષ પહેલાં, મને ના પૈણેલાં એક માણસ મળ્યા. એને સ્ત્રી મળેલી નહીં. પહેલાં એવો જમાનો હતો કે સ્ત્રી વગરનાય મળે. તે પછી મેં એને કહ્યું કે, ‘વિષયમાં સુખ ખરું ?’ ત્યારે કહે છે, ‘એનાં જેવું સુખ જ કોઈ જગ્યાએ નથી.’ અલ્યા, તને સ્ત્રી છે નહીં, તું શું કરવા આમાં સુખ માની બેઠો છું ? કોઈક દહાડો જમવાનું મળ્યું હોય, તેમાં એનો અભિપ્રાય રહ્યા કરે, એના કરતાં એ અભિપ્રાય જો ફરી જાય તો વાંધો નથી. એ અભિપ્રાય રહે એ ભયંકર ગુનો છે. આ વિષય તો ખરાબમાં ખરાબ વસ્તુ છે, એવો અભિપ્રાય નિરંતર રહે તો તમારો આજનો ગુનો થોડો ઘણો ચૌદ આની જેટલો માફ થાય. પણ જેને એવો અભિપ્રાય વર્તે છે કે આ વિષયમાં કશો વાંધો નથી, એ બિચારો માર્યો જ ગયો ! શાથી માર્યો જાય કે એને હજી અભિપ્રાય છે કે આમાં કશો વાંધો નથી. આ બ્રહ્મચારી છોકરાઓ મને કહી જાય છે કે હજુ તો અમને આવાં મહીં ખરાબ વિચાર આવે છે ને આ બધું આવે છે. ત્યારે મેં કહ્યું કે આનું પ્રતિક્રમણ કરજો, પણ આનો બહુ અજંપો ના કરશો. કારણ કે ભગવાન તો શું કહે છે કે અબ્રહ્મચર્યનો અભિપ્રાય છે કે બ્રહ્મચર્યનો ? બ્રહ્મચર્ય પાળવું સારું છે કે નહીં ? ત્યારે કહે છે કે બ્રહ્મચર્ય અમને તો નહીં પોષાય, તો એને એક બાજુએ બેસાડે છે અને જે કહે છે કે અમને અબ્રહ્મચર્ય સહેજ પણ નહીં પોષાય, એને બીજી બાજુએ બેસાડે છે. એમ બે જ ભાગ પાડે છે. તમને બ્રહ્મચર્યનો અભિપ્રાય વર્તે છે એટલે તમે બ્રહ્મચર્ય વિભાગમાં બેઠા. (પા. ૩૨૩)હવે તમને સંસારી બધા વિચાર આવે, પણ ત્યારે ભગવાન શું કહે છે કે તને શું ગમે છે ? ત્યારે કહે કે બ્રહ્મચર્ય. એટલે હવે તમે બ્રહ્મચર્ય વિભાગમાં બેઠા છો. પણ ફરી બ્રહ્મચર્યનો અભિપ્રાય ના બદલાવો જોઈએ. એટલે બ્રહ્મચર્યની વિરુદ્ધ થવાનો વિચાર આવે ત્યાં સુધી ના પહોંચશો. એટલા માટે એ વિચારો ઉપર કંટ્રોલ રાખો. એટલે મુખ્ય તો અભિપ્રાય તમારો ના બદલાવો જોઈએ. હું શું કહેવા માંગું છું, એ તમને સમજ પડી ને ? પ્રશ્નકર્તા : હા. ઊગતું અને આથમતું, એ બે ભેદ પડી ગયા પછી વાંધો નહીં. પછી વિચારોનો સંઘર્ષ થાય નહીં. દાદાશ્રી : હવે આવું કોઈ શીખવાડે જ નહીં ને ! આ હું મહત્વની વાત કહું છું. આમાં સંઘર્ષણ થાય નહીં અને કામ નીકળી જાય. મન બગડે ત્યાંપ્રશ્નકર્તા : આપનું ‘જ્ઞાન’ લીધા પછી બ્રહ્મચર્ય લે તો સારું ને ? દાદાશ્રી : આ બધા છોકરાઓ અહીં બેસી રહે છે, તે ‘સ્વરૂપ જ્ઞાન’માંય ખરા ને બ્રહ્મચર્યમાંય ખરા. બધી રીતે એમને સુખ રહે છે. ‘જ્ઞાન’ સાથે બ્રહ્મચર્ય હોય, એની તો વાત જ જુદી કહેવાય ને !!! એટલે બ્રહ્મચર્ય કેવું જોઈએ ? મન-વચન-કાયાનું હોવું જોઈએ. મનમાં વિષય સંબંધી વિચાર સરખોય ના આવવો જોઈએ ને જરાક વિચાર આવે તો તરત જ પ્રતિક્રમણ કરી લે. આ છોકરાઓ બધા મન-વચન-કાયાનું સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળે છે. વિચાર તો આવે જ માણસને. વિચાર આવે છે એ ‘ડિસ્ચાર્જ’ થયા કરે છે. માટે પોતાની ઇચ્છા વિરુદ્ધ આવે છે, પણ વિચારથી ડાઘ પડ્યો, તે અમે સાબુ આપેલો હોય તેનાથી ધોઈ નાખે. પ્રશ્નકર્તા : વારંવાર ડાઘ ધૂએ તો કપડું ફાટી જાય ને ? દાદાશ્રી : ના, એ અમારો સાબુ જ એવો હોય કે કપડું ફાટી ના જાય. દોષ થયો કે તેની સાથે ‘શૂટ ઓન સાઈટ’ હોય !!! પ્રશ્નકર્તા : ઘણાં લોકો બ્રહ્મચર્ય વ્રતની આજ્ઞા લે છે, પણ મન બગડતું હોય તો એનો અર્થ જ નહીં ને ? (પા. ૩૨૪)દાદાશ્રી : મન બગડે એટલે બધું બગડ્યું. છતાં આ બધા બહુ સરસ કરે છે. જેટલી આજ્ઞા પાળી એટલું તો મન બગડતું અટક્યું. આ જ્ઞાન એવું છે કે એનાથી કંઈક સૂક્ષ્મ બ્રહ્મચર્ય પાળી શકાય એવું છે. કારણ કે મન સુખ ખોળે છે ને ? આ જ્ઞાન સુખવાળું છે. એટલે આ છોકરાઓ મઝા કરે છે ને બધા ? આમને શું થાય કે જુવાની છે અને ખોરાક ખાય, તે ખોરાકની અસર થાય કે ના થાય ? લગ્ન કરેલાં હોય તો એને ‘ઈફેક્ટ’ થાય, એનો વાંધો નહીં. પણ લગ્ન કરેલું નહીં, તેને શું થાય ? એટલે આ લોકો ડરતાં ડરતાં બધું ખાય. શું કહે કે અમને ‘ડિસ્ચાર્જ’ થઈ જાય છે. અલ્યા, છોને ‘ડિસ્ચાર્જ’ થઈ જાય. આ તો પાછી મહીં અસર થઈ જાય કે ડિસ્ચાર્જ થઈ ગયું. પણ તે કર્યું નથી ને ? આપણે કરવું ના જોઈએ. એટલે મેં કહ્યું, એ બુદ્ધિપૂર્વકનું નથી એટલે વાંધો નથી. બુદ્ધિપૂર્વકનું હોય તો વાંધો છે. પ્રશ્નકર્તા : બુદ્ધિપૂર્વકનું એટલે કેવું ? દાદાશ્રી : બુદ્ધિપૂર્વકનું એટલે પોતે ઇચ્છાપૂર્વક કરે તેવું. જ્યારે આ તો રાત્રે સ્વપ્નામાં થઈ જાય એનાં ગુનેગાર જ નહીં, એમ એમને કહી દીધું. કારણ કે મૂંઝાયા કરે, વગર કામના. તારી ઇચ્છા નથી ને ? એ આપણે કરવું ના જોઈએ. હવે એ થઈ જાય છે, એનો વાંધો નહીં. તારું બુદ્ધિપૂર્વક નથી ને ? ત્યારે કહે, ‘ના.’ અને સ્વપ્નું એ દુનિયા જ જુદી છે. એ જુદી દુનિયાની વાત છે. સ્વપ્નાના ભોગનો પૂર્વાપર સંબંધ ?પ્રશ્નકર્તા : ઊંઘમાં જે અટપટા ભોગ ભાસે છે, એમાં કંઈ સત્યતા ખરી ? દાદાશ્રી : ખરું ને ! પૂર્વ ભવે ભોગવેલું, તેના સંસ્કાર દેખાય અત્યારે ! પૂર્વ ભવે, અનંત અવતારમાં જે ભોગ ભોગવ્યા હોય ને, તે સંસ્કારો બધા અત્યારે આ સ્વપ્નામાં દેખાય. પ્રશ્નકર્તા : પણ આ તો પૂર્વાપર સંબંધ સિવાય દેખાય છે ને ? (પા. ૩૨૫)દાદાશ્રી : પૂર્વાપર સંબંધ છે જ. પ્રશ્નકર્તા : નહીં, નહીં, આ દિવસ દરમ્યાન અગર તો જિંદગી દરમ્યાન કાંઈ કર્યું ના હોય, એ પૂર્વાપર સંબંધ વગર એવું આ સ્વપ્નમાં થાય છે ? દાદાશ્રી : હા, અત્યારના સંબંધ વગર થાય. પણ એ સંસ્કારનો ઉદય આવ્યો કે તરત દેખા દે. કોઈ સાધુ હોય છતાં એને સ્વપ્નામાં રાણીવાસ આવે. અલ્યા, ત્યાગ લીધો, બાયડીને છોડી, છતાં રાણીનાં સ્વપ્નાં આવે ?! કારણ કે પહેલાંના સંસ્કાર છે, તે આવે છે. પ્રશ્નકર્તા : આ ભવની અતૃપ્ત વાસનાથી એ સ્વપ્નાં આવે છે, એવું નહીં ? દાદાશ્રી : ના, ના. આ ભવની અતૃપ્ત વાસના હોય ને, તો તે જ્યાં ને ત્યાં ડાફાં માર માર કર્યા કરે. જે ભૂખ્યો માણસ હોય ને, તે જ્યાં કંઈક હલવાઈની દુકાન દેખાય, ત્યાં જો જો કર્યા કરે. એટલે જે હલવાઈની દુકાને જો જો કરે તો આપણે ના સમજીએ આ મૂઓ ભૂખ્યો છે. અને જે માણસો આ બધી બાયડીઓને દેખે કે ગાયો-ભેંસોને દેખે ત્યાંય જો જો કરે તો, આપણે ના જાણીએ કે એને કંઈક અતૃપ્ત વાસનાઓ છે ? પ્રશ્નકર્તા : પણ એની વૃત્તિઓને બંધ આપણે કેવી રીતે કરી શકીએ ? દાદાશ્રી : એ તો આપણાથી કશું ના થાય. એ પોતે પાંસરો થાય તો જ થાય. પ્રશ્નકર્તા : તો એની વૃત્તિઓ કાઢવા માટેનો રસ્તો શો ? સત્સંગ? દાદાશ્રી : સત્સંગ સિવાય તો બીજો કોઈ ઉપાય નથી. કુસંગથી જ આ બધી વૃત્તિઓ આવી થઈ જાય છે. અને બીજું, વિષયોમાં જો કદી તરછોડાયેલો હોયને, તો તો એને આખો દહાડો વિષયના જ વિચારો આવ્યા કરે. તેથી અમે કહેલું ને, કે એક પૈણજે. કે જેથી કરીને વૃત્તિઓ શાંત થાય. બાકી તરછોડાયેલો માણસ તો બધે જો જો કર્યા કરે. તેય (પા. ૩૨૬)મનુષ્યની સ્ત્રીને તો જુએ પણ તિર્યંચની સ્ત્રીનેય જુએ, પાછો નિરીક્ષણ હઉ કરે ! પ્રશ્નકર્તા : ઉપવાસ કરે તો, હંમેશાં એની વૃત્તિઓ સંયમમાં રહે એવી કંઈ સત્યતા ખરી ? દાદાશ્રી : હા, રહે. પણ એ તો એના સંયમ ઉપર આધાર રાખે છે, એના સંસ્કાર ઉપર આધાર રાખે છે. પ્રશ્નકર્તા : સંસ્કારનું ઘડતર કરવું પડે ને, કારણ પૂર્વ ભવનું લઈને કશું ના આવ્યો હોય તો ? દાદાશ્રી : ના. પણ એ સંયમ લઈને આવ્યો હોય ને, તો એ ઉપવાસ કરે ત્યારે તમે એને જલેબી બધું દેખાડો, તો પણ એનું ચિત્ત એમાં ના જાય. એવાંય માણસો છે. પ્રશ્નકર્તા : પણ આવાં પૂર્વના ઉદય તો મોટા પુરુષો લઈને આવેલા હોય છે, પણ સામાન્ય માણસો માટે કંઈ થઈ શકે નહીં ? દાદાશ્રી : સામાન્ય માણસોનું તો ગજું જ નહીં ને ! સામાન્ય માણસનું શું ગજું ? પ્રશ્નકર્તા : તો સત્સંગથી એનામાં કંઈ જાગૃતિ થાય ? દાદાશ્રી : હા. સત્સંગમાં આવે, રોજ પડી રહે આ સત્સંગમાં, ત્યારે એનું પૂરું થાય. એનો ઉપાય જ સત્સંગ, સત્સંગ ને સત્સંગ. દાદાવાણી સરી બ્રહ્મચારીઓ કાજેબાકી, વિષય એ તો ભયંકર દુઃખો અને યાતનાઓ જ છે નરી ! પછી આખો દહાડો ચિત્ત છે તે ભટક, ભટક, ભટક કર્યા કરે, નબળું પડી જાય, લપટું પડી જાય. તારે એવું લપટું પડી જાય કે ? પ્રશ્નકર્તા : કોઈ વાર એવું થઈ જાય. દાદાશ્રી : કોઈ વાર થાય ને ? પણ આખો દહાડો તો કાયમનું (પા. ૩૨૭)નહીં ને ? એટલે એ કામ થઈ ગયું. જેણે નિયમ જ લીધો છે કે મારે બ્રહ્મચર્ય વ્રત જ પાળવું છે, એમાં લિકેજ થાય તોય એને ભગવાન લેટ ગો કરે છે. કુદરતનો ન્યાય લેટ ગો કરે છે. અને બ્રહ્મચારીઓ બધા ભેગા રહે તો બ્રહ્મચર્ય રહે. નહીં તો અહીં શહેરમાં એકલો રહે તો, એને બ્રહ્મચર્ય રહે જ નહીં ને ! પ્રશ્નકર્તા : પણ ખરું તો એ જ કહેવાય ને ? દાદાશ્રી : ખરું તો એ કહેવાય. પણ એ તો ટેસ્ટેડ એટલો બધો કોઈ આ કાળમાં ના હોય ને ! એ તો જ્ઞાની પુરુષ સિવાય બીજો કોઈ ટેસ્ટિંગ આપી શકે નહીં. જ્ઞાની પુરુષને તો ‘ઓપન ટુ સ્કાય’ જ હોય. રાત્રે ગમે તે ટાઈમે એમને ત્યાં જાવ તોય ‘ઓપન ટુ સ્કાય’ હોય. અમારે તો બ્રહ્મચર્ય પાળવું પડે એવુંય ના હોય. અમારે તો વિષય યાદેય ના હોય. આ શરીરમાં એ પરમાણુ જ ના હોય ને ! તેથી આવી બ્રહ્મચર્ય સંબંધી વાણી નીકળે ને ! વિષય સામે તો કોઈ બોલ્યા જ નથી. લોક વિષયી છે એટલે લોકે વિષય પર ઉપદેશ જ નથી આપ્યો. અને આપણે તો અહીં આખું પુસ્તક થાય એવું બ્રહ્મચર્યનું બોલ્યા છીએ, તે ઠેઠ સુધી વાત બોલ્યા છીએ. કારણ અમારામાં તો એ પરમાણુ જ ખલાસ થયા, દેહની બહાર અમે રહીએ. બહાર એટલે પાડોશી જેવા નિરંતર રહીએ ! નહીં તો આવી અજાયબી મળે જ નહીં ને કોઈ દહાડોય ! બ્રહ્મચર્યનું એક ને અબ્રહ્મચર્યનાં અનેક દુઃખોપ્રશ્નકર્તા : પણ આ બ્રહ્મચર્ય એ કંઈ ખાવાના ખેલ નથી. દાદાશ્રી : બ્રહ્મચર્ય એ કંઈ ખાવાના ખેલ નથી, તો અબ્રહ્મચર્ય એ પણ ખાવાના ખેલ નથી. અબ્રહ્મચર્યની જે પીડા છે ને, એના કરતાં બ્રહ્મચર્યમાં બહુ ઓછી પીડા છે. બ્રહ્મચર્યમાં એક જ પ્રકારની પીડા કે પેલા વિષય બાજુ ધ્યાન જ નહીં આપવાનું. પ્રશ્નકર્તા : પણ આ પીડાથી સુખ તો બહુ ઉત્પન્ન થાય. જો એટલું સચવાઈ ગયું કે એ બાજુ ધ્યાન જ ના આપે, તો પીડાને બદલે મહીં સુખ ઉત્પન્ન થાય. (પા. ૩૨૮)દાદાશ્રી : એ તો સ્વાભાવિક રીતે સુખ જ ઉત્પન્ન થાય. પણ એ ધ્યાન નહીં આપવા માટે વિષયનો વિચાર આવતાં પહેલાં ઉખેડી નાખે ને બધું પ્રતિક્રમણ કરીને બધું એક્ઝેક્ટનેસમાં રહેવું પડે. એ ખેતરમાં બીજ પડવા જ નહીં દઈએ, તો ઊગે જ શી રીતે ?! તારે મહીં કંઈ પાંસરું રહે છે કે બગડી ગયું છે ? આખુંય બગડી ગયું છે ? થોડું થોડું ? તો કંઈ હવે સુધારો કરી લે ! આ વિષયનાં દુઃખો તો તારાથી સહન ના થાય. આ તો જાડી ખાલના લોકો તે સહન કરે, એ યાતનાઓ. બાકી તું તો પાતળી ખાલનો, તે શી રીતે આ યાતના સહન થાય ? પ્રશ્નકર્તા : પણ બી પડી ગયું ને ઝાડ થઈ જાય તો શું કરે ? પછી ફળ ખાધે જ છૂટકો ને ? દાદાશ્રી : ના, પણ આ તો ચેતેલા છે, તેમને કહું છું. પ્રશ્નકર્તા : પણ આ જે સંસારમાં હોય, તેને બીજ પડી ગયું ને ઝાડ થઈ ગયું તો ? દાદાશ્રી : એ તો ઉપાય નહીં ને ! પ્રશ્નકર્તા : પછી ફળ ખાધે જ છૂટકો ને ? દાદાશ્રી : ફળ ખાય પણ પસ્તાવા સાથે ખાય, તો એ ફળમાંથી ફરી બીજ ના પડે અને ખુશીથી ખાય કે ‘હા, આજ તો બહુ મઝા આવી’, તો ફરી પાછું બીજ પડે. બાકી આમાં તો લપટું પડી જાય. સહેજ ઢીલું મૂક્યું ને ત્યાં લપટું પડી જાય. એટલે ઢીલું મૂકવાનું નહીં. કડક રહેવાનું. મરી જઉં તોય પણ આ નહીં જોઈએ. એવું કડક રહેવું જોઈએ. દ્રષ્ટિથી જ બગડે, બ્રહ્મચર્યઆ છોકરાઓ અમારી વાતનો દુરુપયોગ કરે, માટે અમે જ્ઞાનની એક્ઝેક્ટ વસ્તુ કહેતા નથી. અમે તો જ્ઞાનમાં બધું જોયેલું હોય, પણ એક્ઝેક્ટ કહેવાય નહીં. કારણ કે આ અક્રમ વિજ્ઞાન છે અને કર્મો (પા. ૩૨૯)ખપાવ્યાં સિવાયનું છે. કર્મો ખપાવ્યાં નથી એટલે એક બાજુ જબરજસ્ત જોર છે. તેથી પછી મન વળાંક લઈ લે. આ વાતનો દુરુપયોગ કરવા જાય તો માર્યો જાય. આ તો બધી એટલા માટે છૂટ આપી કે તમે ભડકશો નહીં. ખાજો નિરાંતે. આવું આવું પણ બ્રહ્મચર્ય પાળે તો બહુ થઈ ગયું. પ્રશ્નકર્તા : આનાથી તો બહુ મોટી ‘બ્રેક’ આવી જાય ને ? દાદાશ્રી : હા, મોટી ‘બ્રેક’ આવી જાય. અમે આ ચારિત્ર સંબંધમાં બહુ કડકાઈ રાખીએ. પછી ‘વ્યવસ્થિત’માં પૈણવાનું હશે, તો એને કોઈ બાપોય છોડવાનો નથી. એ હું સમજું છું ને ?! પણ અત્યારે ચારિત્રમાં હોય તો એમની લાઈફ સુધરી જાય અને વખતે પૈણ્યો તોય પછી બીજાની જોડે આંખ નહીં માંડે ને ?! મોક્ષે જતાં નડતું હોય તો સ્ત્રી વિષય એકલો જ નડે છે અને તે જોવા માત્રથી જ બહુ નડે છે. વ્યવહારમાં આટલો જ ભય છે, આટલું જ ભય સિગ્નલ છે. બીજે બધે ભય સિગ્નલ નથી. એટલે છોકરાઓને કહેલું ને, કે સ્ત્રી તરફ દ્રષ્ટિ સરખી માંડશો નહીં અને દ્રષ્ટિ મંડાઈ જાય તો એનો ઉપાય આપેલો છે. સાબુ ઘાલીને ધોઈ નાખવાનું. આ કાળમાં મોટામાં મોટું પોઈઝન હોય તો વિષય જ છે. આ કાળના મનુષ્યો એવા નથી કે જેને ઝેર ના ચઢે. આ તો પોમલા બિચારા. ધાર્યા પ્રમાણે ગમે તેમ ફરે તો ઝેર ચઢી જાય કે નહીં ?! આ તો આજ્ઞામાં રહે છે એટલે ઝેર નથી ચઢતું,, પણ આજ્ઞામાં ના રહે તો ? એક જ ફેરો આજ્ઞા તૂટી કે પોઈઝન ફરી વળે, હડહડાટ ! આમનું ગજું જ નહીં ને ! કોઈની બહેન પર દ્રષ્ટિ બગાડી ?મને મોટી ચીઢ આ બાબત માટે રહે કે કોઈની ઉપર દ્રષ્ટિ કેમ બગાડાય તારાથી ? તારી બહેન ઉપર કોઈ ખરાબ દ્રષ્ટિ કરે, તો તને કેવું લાગે ? તો એવું તું કોઈની બહેન પર દ્રષ્ટિ બગાડું તો ? પણ એવો આ લોકોને વિચાર નહીં આવતો હોય ને ? પ્રશ્નકર્તા : એવો વિચાર આવતો હોય તો, આવું કોઈ કરે જ નહીં ને ? (પા. ૩૩૦)દાદાશ્રી : હા, કોઈ કરે જ નહીં. પણ આટલું બધું બેભાનપણું છે ને ! આ છોકરાઓમાં તો આ જ્ઞાન પછી બહુ ફેરફાર થઈ ગયો. એટલે મને આનંદ થાય ને ! નહીં તો તો હું આમને બોલાવું પણ નહીં. કારણ મને તો ચીઢ ચઢે. આપણે ત્યાં તો ચૌદ વર્ષે તો પૈણાવી દેવા જોઈએ. ચૌદ વર્ષની છોડી અને અઢાર વર્ષનો છોકરો, એવી રીતે પૈણાવી દેવા જોઈએ. પણ આ તો નવી જ જાતનું થયું. આ પણ કુદરતે કર્યું છે. માણસ ઓછો કંઈ કરે છે ? પહેલાં તો સાત-સાત વર્ષે પૈણાવી દેતા હતા. એટલે એ લોકોની બીજાં તરફ દ્રષ્ટિ પણ જાય નહીં પછી, અને એ લાઈફ કેવી સરસ ! છોકરાંઓ કેવાં સરસ પાકે ! એકધારાં છોકરાંઓ ! પ્રશ્નકર્તા : આ એક મોટો પોઈન્ટ છે. જેની દ્રષ્ટિ ના બગડે, એનાં છોકરાંઓ બધાં એકધારાં હોય એ. દાદાશ્રી : અને એટલે પરંપરાગત સંસ્કાર આવે. આ તો માર્કેટ મટીરિયલ જેવું થઈ ગયું છે. બજારું માલ ના હોય એવું !! આવું તે હોય જ કેમ કરીને ? જો સ્ત્રી એક જ પતિવ્રત પાળે અને પતિ જો એક પત્નીવ્રત પાળે તો બન્ને દર્શન કરવા યોગ્ય કહેવાય. એટલે આપણે અહીં તો છોકરા-છોકરીને તો વહેલા પૈણાવી દેવા જોઈએ, મેળ પડતો હોય તો. મેળ ના પડતો હોય તો પણ તૈયારી વહેલા પૈણાવવા માટે રાખવી. આ કંઈ રાખી મેલવા જેવો માલ ન હોય. તો પછી સ્લિપ થતું બચે, નહીં તો આ તો બગડતું જ ચાલ્યું છે. અમને તો નાનપણથી આ ગમે નહીં કે લોકોએ આમાં સુખ કેમ માન્યું છે ? તેય મને એમ લાગે કે આ કઈ જાતનું છે ? આ લોકોને તો જાપાનીઝ રમકડાં રમાડવાં જોઈએ. આ જીવતાં રમકડાંય રમાડવાં જોઈએ, પણ જીવતાં રમકડાં મારે તો પછી બચકું ભરે ને ?! આ તો બધું કપડાંથી ઢાંકેલું છે તેથી મોહ થાય છે. અમને તો નાનપણથી આ થ્રી વિઝનની પ્રેકિટસ પડી ગયેલી. એટલે અમને તો બહુ વૈરાગ આવ્યા કરે, બહુ જ ચીઢ ચઢે. એવી વસ્તુમાં જ આ લોકોને આરાધના રહે. આ તે કઈ જાતનું કહેવાય ? (પા. ૩૩૧)પ્રતિક્રમણ એ જ ઉપાયપ્રશ્નકર્તા : એવું કહેવામાં આવ્યું છે કે જ્ઞાન પછી કુદ્રષ્ટિ એ જોખમ છે. હવે કુદ્રષ્ટિ એ ચાર્જભાવ છે કે ડિસ્ચાર્જ પરિણામ છે ? દાદાશ્રી : એ ડિસ્ચાર્જ પરિણામ ખરું, પણ જોડે જોડે એ પરિણામને ધોવાનું કહ્યું છે ને ? એ પરિણામ તો થવાનાં, કુદ્રષ્ટિ તો થાય પણ જોડે જોડે આપણે ધોવાનું કહેલું છે. પ્રશ્નકર્તા : પણ ધોવાનું કેવી રીતે ? પ્રતિક્રમણ કરીને ધોવાનું ને ? દાદાશ્રી : કહેલું જ છે, ને એ પ્રમાણે એ બધા કરે જ છે. આ છોકરાઓ બધાને સહજ રીતે નિરંતર તપ થવાનું. આ બધા બ્રહ્મચર્ય વ્રતવાળા છે. એ બધાને નિરંતર જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ હોય, એમનાં કપડાં આવાં દેખાય. પણ અંદર તો જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ હોય. જવાનિયા લોકોએ વિષયને મારી પાસે સમજવો પડે. એનું વિવરણ સમજવું પડે. તો પછી એની પર સહેજે અભાવ થવા માંડે, નહીં તો અભાવ થાય નહીં ને ? એનું વિવરણ થવું જોઈએ, તે જ્ઞાની પુરુષ વિવરણ કરી આપે. જ્ઞાની પુરુષ એ વિવરણ બધાને પબ્લિકમાં ના કહે, બે-પાંચ જણને એ રૂબરૂમાં કહી શકે કે આ શી હકીકત છે. વિષય એ બુદ્ધિપૂર્વકનું હોય તો તો બહુ વૈરાગ આવે. આ તો ‘ફૂલિશનેસ’ છે. પ્રશ્નકર્તા : એ રાગ થાય છે ત્યાં ? એ શું છે ? દાદાશ્રી : એ રાગ શાથી થાય છે ? હકીકતમાં આ જાણ્યું નથી તેથી. રાગ તો લોકોને પત્તાં પર બેસે છે, દારૂ પર બેસે છે, પણ હકીકત જાણે કે એ છૂટી જાય છે. એટલે હકીકત જાણવી પડે કે આ અહિતકારી છે, આ વસ્તુ સારી નથી, ખરેખર આમાં સુખ છે જ નહીં, આ તો ભાસ્યમાન સુખ છે, તો છૂટી જાય. દરાજ તને કોઈ દિવસ થયેલી કે ? એ દરાજને વલૂરવામાં અને આમાં કોઈ જ ફેર નથી. તમે એમ કહો કે મારાથી ગળ્યું છૂટતું નથી. તો હું કહું કે કશો (પા. ૩૩૨)વાંધો નથી, ખાજે. કારણ કે એ ખાય છે, તે તો હકીકત સ્વરૂપ છે. તદ્દન પોલી હકીકત નથી, પણ ‘રિલેટિવ’માં તો હકીકત સ્વરૂપ છે. જીભને સ્વાદ આવે છે, તે તો ‘રિલેટિવ’માં હકીકત સ્વરૂપ છે. જ્યારે વિષય તો કશામાં છે જ નહીં. કેવો મોહ, તે કોડથી પૈણે !આ સ્ત્રી-પુરુષના વિષય જે છે ને, તેમાં દાવા મંડાય. કારણ કે આ વિષયમાં બેની એક માલિકી છે અને મત બન્નેના જુદા છે. એટલે જો સ્વતંત્ર થવું હોય તો આ ગુનેગારીમાં આવવું ન ઘટે અને જેને તે ગુનેગારી ફરજિયાત છે, એને એનો નિકાલ કરવો પડે. પ્રશ્નકર્તા : ગુનેગારીમાં ના આવવું પડે. એટલા માટે પરણવું ના જોઈએ ? દાદાશ્રી : પરણવું ના જોઈએ કે પરણવું જોઈએ, એ આપણી સત્તાની વાત નથી. તારે નિશ્ચયભાવ રાખવો જોઈએ કે આમ ના હોય તો ઉત્તમ. જેમ ગાડીમાંથી પડવું જોઈએ, એવી ઇચ્છા કોઈને હોય છે? આપણી ઇચ્છા કેવી હોય છે કે પડી ના જવાય તો સારું. છતાં પડી જવાય તો શું થાય ? એવી રીતે પરણવા માટે ના પડી જવાય તો સારું. એવા ભાવ આપણાં રહેવા જોઈએ. પ્રશ્નકર્તા : એટલે પરણવું એટલે ગાડીમાંથી પડી જવા બરાબર છે ? દાદાશ્રી : એવી રીતે જ છે ને, પણ એ નાછૂટકે જ હોવું જોઈએ. પ્રશ્નકર્તા : પછી એને નાટકમાં લેવું પડે ? દાદાશ્રી : હાસ્તો, પછી છૂટકો જ નહીં ને ! પ્રશ્નકર્તા : પરણવામાં આટલું બધું જોખમ છે, એ સુખ દરાજ જેવું છે. તો પછી આ બધા જે પૈણે છે, તે નાછૂટકે પૈણ્યા છે ? કેમ પૈણે છે ? દાદાશ્રી : લોકો તો ખુશીથી, શોખથી પૈણે છે. આમાં દુઃખ છે એવું જાણતા નથી. એ તો એવું જ જાણે છે કે સરવાળે આમાં સુખ છે. થોડીઘણી (પા. ૩૩૩)ખોટ હોય પણ સરવાળે નફાવાળી આઈટમ છે એવું લોક જાણે છે. જ્યારે ખરી હકીકતમાં તદ્દન ખોટ જ છે. એ જ્યારે ‘ઈન્કમટેક્ષ’ ઑફિસમાં જાય ત્યારે ખબર પડે કે આ બધી જ ખોટ હતી. અને તેય આપણા હાથમાં સત્તા નથી ને ? આ ભવમાં આપણા હાથમાં નથી ને? આ ભવમાં તો અત્યારે હવે નવેસરથી આપણને ‘ડિસીઝન’ આવી જાય, એટલે ચોખ્ખું થઈ જાય. શ્રીમદ્ રાજચંદ્રે એટલા માટે કહ્યું કે, ‘દેખત ભૂલી ટળે’ તો સર્વ દુઃખનો ક્ષય થાય. એ પોતે જ કહે છે કે અમારા જ્ઞાનમાં તો વર્તે જ છે કે આમાં પડવા જેવું નથી, છતાં જોઈએ છીએ ને ભૂલ થાય છે. દેખીએ છીએ ને ભૂલ થાય છે. અને આપણું જ્ઞાન તો એવું છે કે દેખે અને ભૂલ થાય નહીં. કારણ કે દેખ્યું એટલે ‘શુદ્ધાત્મા’ એને દેખાવો જોઈએ ને ‘શુદ્ધાત્મા’ દેખાય પછી રાગ ના થાય. ‘જુવાની’ સચવાઈ જાય તોઆ જગતમાં બીજું કોઈ જાતનું જોખમ નથી, આટલું જ જોખમ છે. કેટલાકને એવું હોય છે કે પ્રતિક્રમણ કરે એટલે જે ડાઘ પડ્યો હોય તે ધોવાઈ જાય અને કેટલાકને પ્રતિક્રમણ કરતાંય ડાઘ ના ઊખડે. પણ એવું બે-ચાર હોય. તેને માટે મારી પાસે સમજવા આવવું પડે, તો હું બધું સમજાવું કે હકીકતમાં આમ છે. આ ‘વૉર’માંથી તમે બચી જાવ. આ ‘વૉર’ બહુ મોટી છે. આ યુવાનીની ‘વૉર’ તો બહુ જબરી છે, પાકિસ્તાન કરતાંય જબરી. પ્રશ્નકર્તા : કુરુક્ષેત્ર કરતાંય મોટું ? દાદાશ્રી : હા, તેના માટે એકાંતમાં પૂછવું જોઈએ. બે-પાંચ જણ હોય તો વાંધો નહીં, પણ પૂછીએ તો બધો ઉકેલ જડે. પ્રશ્નકર્તા : આપને પૂછેલું કે જ્ઞાનનો અપચો એટલે શું ? તો આપે કહેલું કે આ વાત તો જુવાન છોકરાઓ માટે છે. જ્ઞાનનો અપચો એમને થઈ જાય, તો એ શું છે ? (પા. ૩૩૪)દાદાશ્રી : જુવાનોને જ્ઞાન જાગૃતિ ઉપર આવરણ આવતાં વાર ના લાગે. એ આવરણ આવે છે, તે જ જ્ઞાનનું અજીર્ણ છે. જ્યારે મોટાને એવાં આવરણ ના આવે. પેલાને જવાનીના જોશથી આવરણ આવે, એ સ્વભાવિક કહેવાય. આપણે એમને એમ ના કહી શકીએ કે તું આમ કેમ કરું છું ? કારણ કે આપણે જાણતાં હોઈએ કે નવ વાગ્યે પાણી આવે છે, એટલે પછી તે ટાઈમે પાણી આવ્યા વગર રહે જ નહીં ને ! પછી બાર વાગ્યે પાણી આવે ? ના, નથી આવતું. એવું આ જવાનીમાં એ જોશ હોય. એટલે એ જોશ થયું કે તરત મહીં અંધારું ઘોર કરી નાખે. એવું તમને મોટી ઉંમરનાને અંધારું ઘોર ના થાય. તમારે જાગૃતિ રહે. આ તો ઉપયોગ નહીં, તેને લીધે ભૂલો થાય. ઉપયોગ દે તો ભૂલ ના થાય. જેમ આ પૈસા કમાઈએ, તેમાં ખોટ ના જાય ને દરેક ચીજનો નફો રહેવો જ જોઈએ. એટલા માટે દરેક ચીજ ભાવતાલ જોઈને વેચીએ છીએ, નહીં તો ગપ્પું મારીએ તો દુકાનમાં પછી ખોટ જ જાય. એવી રીતે દરેકમાં શુદ્ધ ઉપયોગ રાખીને કામ લેવું પડે. ત્યાં વ્યાપારમાં એ જાગૃતિ રહે છે અને અહીં કેમ ના રહી ? આ મોટો વેપાર છે અને પાછો આ પોતાનો વેપાર છે, જ્યારે પેલો તો પારકો, ચંદ્રેશનો વેપાર છે. એમાં ‘આપણે’ લેવાય નહીં ને દેવાય નહીં. આ તો પોતાનો વેપાર, એમાં દરેક વખતે ઉપયોગ વગર ના થવું જોઈએ. વખતે પા-અડધો કલાક થયું કો’ક જગ્યાએ કો’કની વાત ઉપરથી ગૂંચાઈ ગયા, તો પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ કરો એટલે ફરી જાગૃતિ આવશે, પણ ગૂંચાય ગૂંચાય કરો તો પાર જ ના આવે ને ? કો’ક અવતારમાં જ્ઞાની પુરુષ ભેળા થાય અને ત્યાં આપણે કાચા પડીએ, તે આપણી જ ભૂલ છે ને ? પ્રશ્નકર્તા : જ્ઞાનનો અપચો ના થાય અને એમાંથી ‘સેફસાઈડ’માં નીકળી જવાય, એ કેવી રીતે ? દાદાશ્રી : એવું છે ને, કે એમાં તો એવી રીતે આજ્ઞા પાળવી પડે, પુરુષાર્થ માંડવો પડે. અમે એક જ ફેરો કહ્યું હતું કે આ વિષયનું જોખમ કેટલું છે, તે સાંભળીને તો બધા છોકરાઓએ પુરુષાર્થ માંડી દીધો. (પા. ૩૩૫)આ ‘અક્રમ વિજ્ઞાન’ તો બહુ ઊંચી ક્વૉલિટીનું છે. આજે તમને એમ લાગતું હોય કે કેમનું થશે, પણ આ વિજ્ઞાન કલાકમાં તો શું નું શું કરી નાખે !!! જેવો જ્ઞાની પર તમને ભાવ આવે, તેવું તેના પરિણામનું પ્રમાણ વધતું જાય. એટલે આ છોકરાઓને મેં કહ્યું કે તમારું એક્સેપ્ટ કરીએ પણ તમારે લાલબત્તી રાખવાની. કારણ કે એમને હજી જવાનીની શરૂઆત થઈ નથી. અત્યારે એમને મારી પર જેટલું લક્ષ રહે છે, એટલું લક્ષ જવાનીમાં રહે ને જવાની પસાર થઈ જાય તો એમને વાંધો નહીં આવે. પણ જો લક્ષ બદલાયું તો વાંધો આવ્યો સમજજો. પછી તો પાડી હઉ નાખે. એટલે એમને આ લાલબત્તીઓ ધરીએ. કૃપાપાત્ર થઈ ગયેલાં હોય તો વિષય જીતી જાય, છતાંય લાલબત્તી ધરવી પડે. લાલબત્તી ધરીએ નહીં તો એ લોકો ગાડી વહેતી મૂકી દે અને આ કર્મે તો તીર્થંકરોનેય નચાવ્યા, તો આમનું તો શું ગજું ? આ છોકરાઓને હું કહું છું કે તમે આ જાગૃતિમાં રહો છો, પણ તમારે હજુ રીજ પોઈન્ટ આવવાનું છે. તમારે તો હજુ જવાની પણ ખીલી નથી. એટલે બહુ મુશ્કેલીઓ આવશે. છતાં આરપાર નીકળી જવાય એવો રસ્તો મેં દેખાડ્યો છે અને એ રસ્તે જો જાય તો આરપાર નીકળી પણ જાય, આવું વિઝન તો કોઈનેય ના હોય. કારણ કે આ બાજુનું, આ શરીરનું વિચાર્યું જ ના હોય ને ? આ તો બસ, ‘હું જ છું.’ તેથી તો પોતાના દોષ કોઈને નહીં દેખાતા. જ્યાં સ્થૂળ દોષ જ નથી દેખાતા ત્યાં, વિષય સામે જાગૃતિ તો, કેવી સૂક્ષ્મમાં સૂક્ષ્મ જોઈએ ?! એ શી રીતે આવે ? એટલે કોઈએ આ કેલ્ક્યુલેશનમાં જ લીધું નથી ને ! આ આપણો સત્સંગ, આ વાતો, ક્યારેય પણ સાંભળવામાં ના આવે એવી વસ્તુ છે. આ તો બુદ્ધિની પારનો સત્સંગ કહેવાય. બધે તો બુદ્ધિનો સત્સંગ હોય. આનંદની અનુભૂતિ ત્યાં‘અક્રમ વિજ્ઞાન’માં મેં કશો ફેરફાર કર્યો નથી. પણ ‘અક્રમ વિજ્ઞાન’ને માણસો પહોંચી શક્યા નહીં. અનાદિથી પેલામાં જ ટેવાયેલા (પા. ૩૩૬)લોકો. નહીં તો ઠેઠનું કામ થાય એવું આ વિજ્ઞાન છે. અક્રમ વિજ્ઞાનને ક્યારે પહોંચી વળે ? કે વિષય ઉપર વૈરાગવાળો માણસ હોય અને તેને ‘અક્રમ વિજ્ઞાન’ મળે, પછી તો એનું કલ્યાણ જ થઈ ગયું ને ?! વિષય જ જેને ગમતા નથી, એ ઊંચી સ્થિતિ કહેવાય છે. જૈનોમાંય જે ઊંચી સ્થિતિએ પહોંચેલા માણસો હોય, તે જ વૈરાગ લે છે. એમને તો નાનપણથી જ કશું ગમે નહીં. એમને તો વિષયની વાત સાંભળતાં જ અરેરાટી છૂટી જાય. ડેવલપ કુટુંબની વીસ-વીસ વર્ષની છોકરીઓ હોય છે, વીસ-વીસ વર્ષના છોકરાઓ હોય છે, એમને વિષયની વાત કરીએ છીએ તો, તેમને તો અરેરાટી છૂટી જાય છે. આ બ્રહ્મચર્ય વ્રત લીધા પછી એ આનંદ એમને જતોય નથી, પાર વગરના આનંદમાં રહે. કારણ કે મૂળ વિષય કે જેના આધારે જગત ઊભું રહ્યું છે, જેના આધારે ધ્યાન ફ્રેકચર થઈ જાય છે, તે આધાર જ એમને નથી રહેતો. એક જ ફેરો અબ્રહ્મચર્યનો ભાવ ઉત્પન્ન થાય, તે ત્રણ-ત્રણ દહાડા સુધી ધ્યાન ના થવા દે. પછી શી રીતે આત્માનું મૂલ્ય સમજાય ? અને આ બ્રહ્મચર્ય વ્રતવાળાને તો આ જ્ઞાન છે એટલે આત્માનો આનંદ તો પામ્યા, પણ એ આનંદ આ વ્રતને લઈને ટકી રહ્યો છે. પછી એ આનંદ ખસતો જ નથી. આ લોકો બાર-બાર મહિનાનું વ્રત લઈને પછી આ અનુભવ કરી જાય છે. પાછાં મને આવીને શું કહી જાય છે કે દાદા, અમે જે આનંદ ભોગવી રહ્યા છીએ, એ અજાયબ આનંદ છે. એક ક્ષણ પણ કશું થતું નથી. કહેવું પડે !! આટલી બધી બ્રહ્મચર્યની લાગવગ છે, એવી તો મનેય ખબર નહીં. પ્રશ્નકર્તા : આપની પાસે પણ એ જ હતું ને ? દાદાશ્રી : ના, પણ તે મને આટલી ખબર નહીં કે આ લાગવગ આટલી બધી છે. હું જાણું નહીં કે આ છોકરાને આટલો બધો આનંદ વર્તે અને તે પણ બ્રહ્મચર્યને લઈને !!! કારણ કે જ્ઞાન તો બધાને આપેલું છે અને આત્માનો આનંદ પણ ઊભો થયેલો છે, પણ હવે એ આનંદને કોણ સ્પર્શ થવા નથી દેતું ? વિષયભાવ, પાશવતા. પ્રશ્નકર્તા : આ બહારવાળાઓ જે બ્રહ્મચર્ય પાળે, એમને આવો આનંદ થાય નહીં ને ? (પા. ૩૩૭)દાદાશ્રી : એમને આત્માનો આનંદ ના થાય. એમને તો પૌદ્ગલિક આનંદ ઊભો થાય અને ત્યાં તો પૌદ્ગલિક આનંદને જ આત્માનો આનંદ માનવામાં આવે છે. છતાં એનાથી એમને આનંદ રહે, મહીં ક્લેશનું વાતાવરણ કરે, એવું બધું ના હોય. કારણ કે એમના હાથમાં પુદ્ગલસાર આવી ગયો ને ! બ્રહ્મચર્ય એટલે પુદ્ગલસાર અને આધ્યાત્મસાર એટલે શુદ્ધાત્મા. અને આ બે, જેને ભેગું થાય તેનું તો કલ્યાણ જ થઈ ગયું ને ! પણ જેને પુદ્ગલસાર એકલો હોય તો તેને, થોડોઘણોય આનંદ આવે ને ? એટલે આ બ્રહ્મચર્યના બળ આગળ, એને બીજી વૃત્તિઓ હેરાન ના કરે. પ્રશ્નકર્તા : પેલા બ્રહ્મચારીઓને કષાયો હેરાન ના કરે ? દાદાશ્રી : ના કરે. બ્રહ્મચારી કોઈ દહાડોય ચિઢાય જ નહીં. આ સંસારના બ્રહ્મચારી હોય તેય કોઈ દહાડો ચિઢાય નહીં. એમનું મોઢું જુઓ તોય આનંદ થાય. બ્રહ્મચર્યનું તો તેજ આવે. તેજ ના આવ્યું તો બ્રહ્મચર્ય શાનું ? એટલે સંસારમાંય બ્રહ્મચર્ય માનવું હોય તો કોનું માનજો કે જેનાં મોઢા પર તેજ હોય. બ્રહ્મચારી તો તેજવાન પુરુષ હોય. બ્રહ્મચર્ય આત્માના સ્વાભાવિક ગુણોને પ્રગટ થવા દે, આત્માનો અનુભવ થવા દે, બધા ગુણોનો અનુભવ થવા દે. અને અબ્રહ્મચર્યભાવને લઈને આત્માના બધા ગુણોનો અનુભવ થાય છતાં, અનુભવ થયો નથી એવું લાગવા દે, સ્થિરતા ના રહે. ‘આ’ એક વસ્તુમાં અનુકૂળતા આવી તો, બધામાં અનુકૂળતા આવી જાય છે. બધું અનુકૂળ થઈ જાય છે. વ્યવહાર મઠારે બ્રહ્મચારીઓનેઆ બ્રહ્મચારીઓને બધી પીડા જ મટી ગઈ ને છતાં એમને વ્યવહાર શીખતાં ઘણો ટાઈમ લાગશે. વ્યવહારિકતા આવડવી જોઈએ ને ? આત્મા જાણ્યો પણ તે વ્યવહાર સમેત હોવો જોઈએ. પોતાનું એકલાંનું કલ્યાણ થઈ જાય, એમાં શો દહાડો વળે ? આ લોકો તો કહે છે કે ‘અમને તો જગતકલ્યાણમાં દાદાને પૂરેપૂરો સાથ દેવો છે.’ તેથી બ્રહ્મચર્ય પાળે છે. આ તો મેં નહીં ધારેલો એવો નવો જ ફણગો ફૂટ્યો છે. હું તો એવું જાણતો હતો કે આ કાળમાં બ્રહ્મચર્ય રહી શકે જ નહીં. (પા. ૩૩૮)પૂર્વ ભવે ભાવના કરેલી હોય, તેને તો રહી જ શકે અને આપણા સાધુ- આચાર્યોને રહે જ છે ને ! પણ બીજા સામાન્ય માણસોનું ગજું જ નહીં ને ! જ્યાં નિરંતર બળતરામાં બળ્યા કરે છે, ત્યાં આગળ કોઈ બ્રહ્મચર્યની વાતો કરવા જાય ખરું ? અને કરે તો કોઈ સાંભળેય નહીં ! પણ આવા કાળમાં આપણે ત્યાં આ નવું જ નીકળ્યું. આવું બ્રહ્મચર્યનું નીકળશે એવું તો મને સ્વપ્નેય ખ્યાલ નહીં. આ જગતનું કલ્યાણ થવાનું હોય ત્યારે જ આવું ભેગું થાય ને ? નહીં તો આવું બધું ક્યાંથી ભેગું થાય ? અમે તો કોઈ દહાડોય કલ્પ્યું નહોતું કે અમારે આવું જોઈએ છે, કે અમારે આવું કરવું છે. આ તો બ્રહ્મચર્ય માટે છોકરાઓ સામેથી આવી આવીને પડે છે. ઊર્ધ્વ રેત થાય ને, તો કામ થઈ ગયું. ત્યાર પછી જે વાણી છૂટે, ત્યારે પછી જે સંયમ સુખ હોય, એની તો વાત જ જુદી છે. એટલે હું એવું કરવા માંગું છું આ બ્રહ્મચારીઓને. એને વાળ વાળ કરી અને જ્ઞાને કરીને બ્રહ્મચર્યમાં વળી જાય એવું કરી આપું છું અને વળી શકે છે. પ્રશ્નકર્તા : વળી શકે એ શબ્દ તો યોગ્ય નથી લાગતો. કારણ કે વળી શકે છે, દબાવી પણ શકે અને ઉછળી પણ શકે, પણ જ્ઞાને કરીને આપ એમને કૃપા કરો તો બહુ સરસ થાય. દાદાશ્રી : હા, કૃપા જ. એ તો આ મોઢે શબ્દ બોલવા પડે, બાકી કૃપાએ કરીને થાય. પ્રશ્નકર્તા : એ કૃપા વગર સાધ્ય નથી, દાદા. દાદાશ્રી : અને તૈયાર થાય તો આ દેશનું કંઈક કલ્યાણ કરી શકે. એટલે તૈયાર થઈ જશે બધા. આ બ્રહ્મચર્ય માટે દાદાએ કેવી સુંદર વાડ કરી આપી છે અને એ વાડ ઉપર કેટલા તટસ્થ રહ્યા છે, નિરીક્ષક તરીકે કામ કરે છે ! બોલો હવે, આવું બને ? આ કળિયુગમાં બનવા પામે છે તે આની પાછળ કંઈ નવી જ જાતનું સર્જન છે, એવું નક્કી જ છે ને ? આ તો મારી કલ્પનામાંય નહીં કે આવાં અત્યારે બ્રહ્મચારી પાકે. આ દાદામાં એટલો બધો ત્યાગ વર્તે છે કે બધીય જાતના જીવો અહીં ખેંચાઈને આવશે. આ દાદાનું (પા. ૩૩૯)એકેએક અંગ ત્યાગવાળું છે, એકેએક અંગ પવિત્ર છે. એટલે પછી એના હિસાબે બધું ખેંચાઈ આવવાનું. આ ખેંચાણ શાનું છે ? સરખે સરખાનું. પ્રશ્નકર્તા : કેવી રીતે ? દાદાશ્રી : ગુણો મળતા આવે ને, તેથી ! કારણ કે લોહચુંબક પિત્તળને ના ખેંચે ! આ તો મગજ કામ ના કરે એવું સુંદર બ્રહ્મચર્ય આ લોકો પાળે છે. પણ આ દાદાનું વચનબળ એટલું સુંદર છે કે જે આવું સુંદર કામ કરી રહ્યું છે. જો કે આમને દોરવણી બહુ આપવી પડે છે. હજુ તો જરા ડફડાવવાય પડે છે. આમને વસ્તુ એક્ઝેક્ટનેસમાં આવી જાય, પણ ત્યારે વ્યવહાર કશું સમજતા જ નથી ને ! એટલે આમને હવે અમે વ્યવહાર શીખવાડ શીખવાડ કરીએ. વ્યવહાર ના હોય તો કોઈ કશું બાપોય સાંભળે નહીં. વ્યવહારમાં પાસ ના થાય તો, એ વ્યવહાર એને ગૂંચવી નાખે. કોઈનું કલ્યાણ કરવું હોય તોય ના થાય. પોતાનું તો કલ્યાણ થઈ જાય, પણ બીજા કોઈનું કલ્યાણ ના કરી શકે. એ તો વ્યવહાર હોય તો જ બીજાનું કલ્યાણ કરી શકે. એમની શી ભાવના છે કે હવે અમારે જગતકલ્યાણમાં પડવું છે. એટલે એમને વ્યવહાર મુખ્ય જોઈશે. વ્યવહાર તો કેવો હોવો જોઈએ કે જ્ઞાની પુરુષ આમ ત્રાડ પાડે તો મહાત્મામાં જે રોગ હોય ને, તે ત્રાડની સાથે જ નીકળી જાય. એવી કહેવત છે ને, કે સિંહ ત્રાડ પાડે ત્યારે શિયાળ ને એવાં બીજાં હિંસક પશુઓએ માંસાહાર કર્યું હોય, તે બધાની ઊલટી થઈ જાય ! એવી રીતે જ્ઞાની પુરુષનો એક શબ્દ સાંભળતાની સાથે બધું ઊલટી થઈ જાય, એવો વ્યવહાર. આમ માથે ટાપલી મારે ને હાથ અડાડે તોય શું નું શું કરી નાખે, એનું નામ વ્યવહાર ! વ્યવહાર એટલે શું કે એમના હાથ-પગ બધે અડે, તોય કામ થઈ જાય. પણ એ તો જ્ઞાનીની સિદ્ધિ કહેવાય. આ તો આપણું જ્ઞાન છે તે ચાલે, નહીં તો ગાડું જ ચાલે નહીં ને ! અટકી જ જાય ગાડું. આ જ્ઞાન એકદમ જાગૃતિ આપે ને પાપો ભસ્મીભૂત કરી નાખે છે. (પા. ૩૪૦)નિશ્ચય સહ વચનબળનો પાવરપ્રશ્નકર્તા : આ બધા યુવાનોને દાદાએ જે બ્રહ્મચર્યની શક્તિનું પ્રદાન કર્યું છે. તો ભવિષ્યમાં એમને જ્યારે પૂર્વજન્મના સંસ્કારોને લીધે કામ-વિકારો જાગશે, ત્યારે એ લોકો કઈ રીતે એ સંયોગોમાં અડગ રહી શકશે ? એમને શું કરવાનું રહેશે, એ બધું ફોડ પાડો. બધાને લાભ થશે. દાદાશ્રી : આ ‘જ્ઞાન’ આપણું એવું છે કે સર્વ વિકારોનો નાશ થાય છે. અમે વ્રતની વિધિ કરીએ છીએ, ત્યારે અમારું વચનબળ કામ કરે છે. એનો નિશ્ચય ડગવો ના જોઈએ. પ્રશ્નકર્તા : આમનું જે નિશ્ચયબળ છે, તે ‘વ્યવસ્થિત’ના હાથમાં છે કે એમના પોતાના હાથમાં છે ? દાદાશ્રી : ‘વ્યવસ્થિત’ જોવાનું નહીં. ‘વ્યવસ્થિત’ એનું નામ જ કહેવાય કે તમારું નિશ્ચયબળ અને અમારું વચનબળ, એ બે ભેગું થયું કે એની મેળે ‘વ્યવસ્થિત’ ચેન્જ થાય. જ્ઞાનીનું વચનબળ એકલું જ ‘વ્યવસ્થિત’ને ચેન્જ કરે એવું છે. એ સંસારમાં જવા માટે આડી દીવાલ જેવું છે. એક ફેર આડી દીવાલ નાખી આપે કે ફરી સંસારમાં જઈ શકે જ નહીં. પ્રશ્નકર્તા : આપે કહ્યું ને, કે તમારો નિશ્ચય ને અમારું વચનબળ. એ બેમાં તારો નિશ્ચય ના તૂટે તો, અમારું વચનબળ કામ કર્યા કરે. પણ જો એ લોકોનો નિશ્ચય તૂટે તો ? દાદાશ્રી : એવું કશું તૂટતું જ નથી. એવું બને જ નહીં અને એ તો અહીંથી નીચે ગબડી પડીએ તો મરી જ જઈએ ને ? એમાં એવો વિચાર કરીએ છીએ કે આમ પડીએ તો શું થાય ? પ્રશ્નકર્તા : જો કોઈનું નિશ્ચયબળ તૂટ્યું, તો એ ‘વ્યવસ્થિત’ કહેવાય ? એને શું કહેવું ? દાદાશ્રી : ‘પોતાનો પુરુષાર્થ મંદ છે’ એમ કહેવાય. (પા. ૩૪૧)પ્રશ્નકર્તા : આમાં ‘વ્યવસ્થિત’ ના આવે ? દાદાશ્રી : અજ્ઞાની માણસને માટે ‘વ્યવસ્થિત’ છે એમ કહેવાય અને જ્ઞાની તો પોતે પુરુષ થયો છે, એ હવે પુરુષાર્થ સહિત છે ! પ્રશ્નકર્તા : પોતાનો નિશ્ચય એટલે આપણે જો એમ કહીએ કે આપણે જ બધું કરી શકીએ એમ છે, તો પછી અહંકાર ના થઈ ગયો કહેવાય ? તો પછી આ પુરુષાર્થ કહેવાય કે અહંકાર જોડાયેલો કહેવાય ? દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : તો એ શું કહેવાય ? દાદાશ્રી : કશું કહેવાય નહીં. નિશ્ચય એટલે નિશ્ચય !! અને તે આપણે પોતે ક્યાં કરવાનો છે, એ આત્માને કરવાનું નથી. આ પ્રજ્ઞા કહે છે કે ચંદ્રેશ, તમે નિશ્ચય બરોબર સ્ટ્રોંગ રાખો. એવું છે ને, કે જ્યારથી આ લોકોએ આ વ્રત લીધું, ત્યારથી એમની દ્રષ્ટિ એ બાજુ જતી જ નથી.. નહીં તો અમુક ઉંમરે તો સો-સો વખત દ્રષ્ટિ બગડ્યા કરે. પ્રશ્નકર્તા : આ પાછલી જે ખોટો છે, તે નિશ્ચયના આધારે ઉડાડી શકાય ? દાદાશ્રી : હા, બધી જ ખોટો ઉડાડી શકાય. નિશ્ચય બધું જ કામ કરે. ઉદય ભારે આવે, ત્યારે તે આપણને હલાવી નાખે. હવે ભારે ઉદયનો અર્થ શો ? કે આપણે સ્ટ્રોંગ રૂમમાં બેઠા હોઈએ અને બહાર કો’ક બૂમાબૂમ કરતો હોય. પછી ભલેને પાંચ લાખ માણસો બૂમો પાડતા હોય કે ‘હમ માર ડાલેંગે’ તેવું બહારથી જ બૂમો પાડતા હોય, તો આપણને શું કરવાના છે ? એ છોને બૂમો પાડે. એવી રીતે જો આમાંય સ્થિરતા હોય તો કશું થાય એવું નથી, પણ સ્થિરતા ડગે કે પાછું પેલું ચોંટી પડે. એટલે ગમે તેવાં કર્મો આવી પડે ત્યારે સ્થિરતાપૂર્વક ‘આ મારું ના હોય, હું શુદ્ધાત્મા છું’ એમ કરીને સ્ટ્રોંગ રહેવું પડે. પછી પાછું આવે ખરું ને થોડી વાર ગૂંચવે. પણ આપણી સ્થિરતા હોય તો કશું થાય નહીં. (પા. ૩૪૨)આ છોકરાઓને, અમારે બે-પાંચ વખત વિધિ કરી આપવી પડે, ત્યારે એમને મોહનું વાતાવરણ લગભગ ઊડી જાય. નહીં તો નર્યા મોહના વાતાવરણમાં જ્યારે ‘રીજ પોઈન્ટ’ પર આવે, ત્યારે એને સડસડાટ ઉડાડી મૂકે. એટલે અમુક પાંત્રીસ વર્ષ સુધી તો એનું રક્ષણ કરવું પડે. આ તો છોકરાઓના સંસ્કાર સારા, પાછું આ જ્ઞાનના પ્રતાપે એટલું શુદ્ધિકરણ થઈ ગયું છે, એટલા માટે આ બ્રહ્મચર્ય વ્રત આપીએ છીએ. કારણ કે જેટલી પવિત્રતા જળવાય એટલું તો પાંસરું રહે !! પ્રશ્નકર્તા : ‘રીજ પોઈન્ટ’ પર જો એમને ઊડી જવાનું થાય, તો પછી જ્ઞાનનું બીજ રહે કે પછી બીજ પણ ચાલ્યું જાય ? દાદાશ્રી : જ્ઞાનનું બીજ પણ ઊડી જાય. પણ નકામું ના જાય, બીજા ભવમાં પાછું ‘હેલ્પ’ કરે, એટલે ‘હેલ્પ’ તો કરે જ. અને આ ભવમાં જ જો ત્રણ-ચાર વખત પાછું ‘જ્ઞાન’ લે અને પાછો પાંત્રીસ વર્ષની ઉંમરે ફરી જ્ઞાન લઈ લે તો પાછું રાગે પડેય ખરું. અમારા નામથી અને વચનબળથી બે-ત્રણ વર્ષ રહ્યું તો એટલું ચોખ્ખું તો રહેશે અને જ્યારે પૈણવાનું આવે ત્યારે જોઈ લેવાશે, પણ એ પહેલાં બગડી તો ના જાય. અત્યારનો જમાનો વિચિત્ર છે. એટલાં માટે અમે આ બધા છોકરાઓને આ બ્રહ્મચર્ય વ્રત આપી દઈએ છીએ અને એ દબાણથી અને અમારા વચનબળથી એટલો તો ચોખ્ખો રહે. પછી પૈણાવે તોય એને ચોખ્ખું રહે ને ? નહીં તો આ તો માણસ ગૂંચાઈ જાય એવો વિચિત્ર જમાનો છે. કેટલાંકે તો સજોડે બ્રહ્મચર્ય વ્રત લીધું છે અને જ્ઞાનેય લીધું છે. એટલે એમનો આનંદ ઓર જ ને ?! અમે બ્રહ્મચર્ય વ્રત આપીએ છીએ, પણ સ્ટેબિલિટી આવ્યા પછી આપીએ. પછી તમારા કર્મના ઉદય પેલા આવે તો પણ અમારું વચનબળ કામ કરે, પણ તમારી ચોકસાઈમાં ખામી ના આવવી જોઈએ. પ્રશ્નકર્તા : એના કર્મના ઉદયમાં ભોગ હોય, તો એ પછી એમાં જોડાય કે ના જોડાય ? અધવચ્ચે કર્મનો ઉદય આવી જાય તો શું કરે? દાદાશ્રી : ના. જ્ઞાનીઓનું વચનબળ શું કહેવાય છે, કે ભયંકર (પા. ૩૪૩)કર્મોને તોડી નાખે. પોતાનો નિશ્ચય જો ના ડગે તો ભયંકર કર્મોને તોડી નાખે. એટલે એ વચનસિદ્ધિ કહેવાય જ્ઞાનીઓની. પણ તે વ્રત આપે નહીં કોઈને. આ કંઈ લાડવા ખાવાના ખેલ નથી. અમે તો બધી રીતે એની ચોગરદમનો ટેસ્ટ કરી પછી જ આપીએ. બ્રહ્મચર્યવ્રત આમ ના અપાય. એ અપાય એવું નથી, એ આપવા જેવી ચીજ નથી. પણ આ છોકરાઓ બ્રહ્મચર્ય પાળે છે તે મન-વચન-કાયાથી પાળે છે. મનથી તો બહારના લોકોથી પળાય જ નહીં. વાણીથી ને દેહથી બધા પાળે. આપણું આ જ્ઞાન છે ને, તેનાથી મનથી પણ પળાય. મન-વચન-કાયાથી જો બ્રહ્મચર્ય પાળે તો એનાં જેવી મહાન શક્તિ બીજી ઉત્પન્ન થાય એવી નથી. એ શક્તિથી પછી અમારી આજ્ઞા પળાય. નહીં તો પેલી બ્રહ્મચર્યની શક્તિ ના હોય તો આજ્ઞા શી રીતે પળાય ? બ્રહ્મચર્યની શક્તિની તો વાત જ જુદી ને ?! આ બ્રહ્મચારીઓ તૈયાર થાય છે ને આ બ્રહ્મચારિણીઓય તૈયાર થાય છે. એમનાં મોઢાં ઉપર નૂર આવશે પછી લિપસ્ટિકો ને પાવડરો ચોપડવાની જરૂર નહીં રહે. હેય ! સિંહનું બાળક બેઠેલું હોય એવું લાગે. ત્યારે જાણીએ કે ના, કંઈક છે ! વીતરાગ વિજ્ઞાન કેવું છે કે જો પચ્યું તો સિંહણનું દૂધ પચ્યા બરાબર છે, તો સિંહના બાળક જેવો એ લાગે, નહીં તો બકરી જેવું દેખાય !!! આ તો વીતરાગ વિજ્ઞાન છે, એટલે એમ ને એમ સિંહ જેવો દેખાય. હજુ આ લોકો કંઈ સિંહ જેવા મને તો નથી દેખાતા, પણ એ લોકોનો પુરુષાર્થ જોરદાર છે ને ! ને સાચો પુરુષાર્થ છે, એટલે એ આવી જ જાય. બધું પ્રાપ્ત થઈ શકે અને પાછું જ્ઞાન સાથે પ્રાપ્ત થાય !!! આ જવાન સ્ત્રી, જવાન પુરુષો બ્રહ્મચર્ય વ્રત લે છે. તો એમને કેવું સુખ વર્તતું હશે ? કે આમાંથી છૂટવાનાં ભાવ થાય છે ? આ બધાં છોકરાઓને કેવું સુખ વર્તતું હશે ? આવાં પાંચ જ છોકરાઓ તૈયાર થઈ જાય તો, તે આખા હિન્દુસ્તાનમાં બધે ફરી વળે, દરેક મોટાં શહેરમાં ફરી વળે, તો બધું બહુ કામ થઈ જાય. કોઈ જગ્યાએ ભાવબ્રહ્મચર્ય ના હોય. બહારના લોકો જે બ્રહ્મચર્ય પાળે છે તેય વચનનું અને કાયાનું, મનનું નહીં. (પા. ૩૪૪)આત્મજ્ઞાન સિવાય મનનું બ્રહ્મચર્ય ના રહે. એટલે આપણું આ તો સાયન્ટિફિક વિજ્ઞાન છે, દરઅસલ વિજ્ઞાન છે. આ તો આશ્ચર્ય કહેવાય ! આવું જો કોઈ બ્રહ્મચર્ય પાળે ને એમનાં દર્શન કરે તોય કલ્યાણ થઈ જાય. કારણ કે જ્ઞાની છે અને જોડે બ્રહ્મચારી છે, બે સાથે છે. એમને કેટલો આનંદ વર્તે છે ! ! જરાય આનંદ ઓછો થતો નથી. પ્રશ્નકર્તા : આ લોકો પરણવાની ના પાડે છે, તો એ અંતરાય કર્મ ના કહેવાય ? દાદાશ્રી : આપણે અહીંથી ભાદરણ જઈએ, તેથી કરીને આ બીજા ગામ જોડે આપણે અંતરાય પાડ્યા ? એને જ્યાં અનુકૂળ આવે, ત્યાં એ જાય. અંતરાય કર્મ તો કોને કહેવાય કે તમે છે તે કોઈકને કશુંક આપતા હો, ને હું કહું કે ના, એને આપવા જેવું નથી. એટલે મેં તમને આંતર્યા, તો મને ફરી એવી વસ્તુ મળે નહીં. મને એ વસ્તુના અંતરાય પડે. એમાં કર્મબંધના નિયમોપ્રશ્નકર્તા : જો બ્રહ્મચર્ય જ પાળવું હોય તો, એને કર્મ કહી શકાય ? દાદાશ્રી : હા, એને કર્મ જ કહેવાય ! એનાથી કર્મ તો બંધાય ! જ્યાં સુધી અજ્ઞાન છે, ત્યાં સુધી કર્મ કહેવાય ! એ પછી બ્રહ્મચર્ય હોય કે અબ્રહ્મચર્ય હોય. બ્રહ્મચર્યની પુણ્યૈ બંધાય અને અબ્રહ્મચર્યનું પાપ બંધાય ! પ્રશ્નકર્તા : કોઈ બ્રહ્મચર્યની અનુમોદના આપતું હોય, બ્રહ્મચારીઓને પુષ્ટિ આપે, એમના માટે બધું. બધી રીતે એમને રસ્તો કરી આપે, તો એનું ફળ શું ? દાદાશ્રી : ફળને આપણે શું કરવું છે ? આપણે એક અવતારી થઈને મોક્ષમાં જવું છે, હવે ફળને ક્યાં રાખવાં ? એ ફળમાં તો સો સ્ત્રીઓ મળે, એવાં ફળને આપણે શું કરવાનાં ? આપણે ફળ જોઈતું નથી. ફળ ખાવું જ નથી ને હવે ! એટલે મને તો એમણે પહેલેથી પૂછી લીધેલું, ‘આ બધું કરું છું, (પા. ૩૪૫)તે મારી પુણ્યૈ બંધાય ?’ મેં કહ્યું, ‘નહીં બંધાય.’ અત્યારે આ બધું ડિસ્ચાર્જ રૂપે છે અને બીજ તો બધાં શેકાઈ જાય છે. પ્રશ્નકર્તા : પણ એ બીજ પડે તો, એનું ફળ સારું હોય ને ? દાદાશ્રી : એ સારું હોય, તોય પણ આપણને જરૂર નથી ને ! શેના માટે એ જોઈએ ! એની જરૂર જ નથી ને અને એ બધું વિષયો જ ઊભું કરનારું હોય છે. પ્રશ્નકર્તા : એ કઈ રીતે ? દાદાશ્રી : બધી રીતે, વિષય જ ઊભું કરનારું છે. આપણે તો પુણ્ય કશું ના જોઈએ. આપણે તો જે દાદાની આજ્ઞાથી થાય એ ખરું અને આ તો ‘ડિસ્ચાર્જ’ રૂપે આવ્યું છે, જેટલું આવે છે ને, તે આટલાં રૂપિયા, આનાં પાઈ સાથે બધો હિસાબ છે. પછી તો તમારી ઇચ્છા હશે તોય નહીં થાય. પ્રશ્નકર્તા : ના, પણ એ કંઈક ગયા ભવમાં ભાવ કરેલો હશે, તો જ થાય ને ? કે આ જ ભવના ભાવથી થાય ? દાદાશ્રી : ના, એ તો ગયા અવતારનો બધો હિસાબ છે. પરિણામ છે અને બીજું તમારે કરવું હોય તોય નહીં થાય ! એય અજાયબી છે ને ! ત્યાગીઓ પાછા ભાવના ભાવે છે. મનમાં એમ થાય કે આખી જિંદગી ત્યાગમાં ને ત્યાગમાં ગઈ, આમાં તો મહાદુઃખ છે, એના કરતાં તો સંસારી રહેલા સારાં. સેવાચાકરી કરનારું તો મળે. ઘૈડપણમાં દુઃખ આવે ત્યારે આવી ભાવના ભાવે એટલે પાછો સંસારી થાય ને સંસારી થાય એટલે બ્રહ્મચર્ય કશું રહે જ નહીં. બ્રહ્મચર્ય, ચાર્જ કે ડિસ્ચાર્જ ?પ્રશ્નકર્તા : આ બધા જે બ્રહ્મચારીઓ થશે, એ ‘ડિસ્ચાર્જ’માં જ ગણાય ને ? દાદાશ્રી : હા, ડિસ્ચાર્જમાં જ ને ! પણ આ ડિસ્ચાર્જની જોડે એમનો ભાવ છે, તે મહીં ચાર્જ છે. છે ડિસ્ચાર્જ, પણ એની મહીં ભાવ એ ચાર્જ (પા. ૩૪૬)છે અને ભાવ હોય તો જ મજબૂતી રહે ને ! નહીં તો ડિસ્ચાર્જ હંમેશાંય મોળું પડી જાય. અને આ એનો ભાવ છે કે મારે બ્રહ્મચર્ય પાળવું જ છે, એનાથી મજબૂતી રહે. આ અક્રમ માર્ગમાં કર્તાભાવ કેટલો છે, કેટલે અંશે છે કે અમે જે આજ્ઞા આપી છે ને, એ આજ્ઞા પાળવી એટલો જ કર્તાભાવ. કોઈ પણ વસ્તુ પાળવી જ પડે, ત્યાં એનો કર્તાભાવ છે. એટલે ‘બ્રહ્મચર્ય પાળવું જ છે.’ આમાં પાળવાનું એ કર્તાભાવ છે, બાકી બ્રહ્મચર્ય એ ડિસ્ચાર્જ વસ્તુ છે. પ્રશ્નકર્તા : પણ બ્રહ્મચર્ય પાળવું એ કર્તાભાવ છે ? દાદાશ્રી : હા, પાળવું એ કર્તાભાવ છે. અને આ કર્તાભાવનું ફળ એમને આવતાં અવતારમાં સમ્યક્ પુણ્ય મળશે. એટલે શું કે સહેજેય મુશ્કેલી સિવાય બધી જ વસ્તુઓ પાસે આવીને પડે અને એમ કરતાં કરતાં મોક્ષે જવાનું. તીર્થંકરોનાં દર્શન થાય ને તીર્થંકરોની પાસે પડી રહેવાનો વખત પણ મળે. એટલે એને બધા સંજોગો બહુ સુંદર હોય. અમારી આ સાયન્ટિફિક શોધખોળ છે, બહુ સુંદર શોધખોળ છે ! પણ અનાદિની કુટેવ જતી નથી, માટે અમારે આ મૂકવું પડે છે કે ‘બ્રહ્મચર્ય પાળો.’ બાકી, પૈણવું હોય તો જ્ઞાની પુરુષની આજ્ઞા લઈને પૈણો. આશીર્વાદ લીધા અને ‘જ્ઞાની પુરુષે’ કહ્યું કે હવે તું ગૃહસ્થ જીવન જીવીશ, પછી ‘જ્ઞાની પુરુષ’ને પૂછવાનું જ ક્યાં રહ્યું ? પછી જ્ઞાની પુરુષનેય કશો વાંધો ના રહ્યો. કોઈને મહીં એવું થાય કે મારે આ પ્રમાણે નક્કી કરવું છે, તો હું કહી દઉં કે ‘પૈણજે, પણ મારી આજ્ઞા લઈને પૈણજે.’ પછી તારી જવાબદારી નહીં. કારણ કે સ્ત્રી પૈણીને લાવ્યા, તેને તો અમે ગમે તેમ કરીને પણ જ્ઞાનમાં લઈ જઈએ, પણ હરૈયા ઢોર જેવું થયું, તો તે પછી યુઝલેસ વસ્તુ છે. ત્યાં જ બધા પાખંડ છે. આખા જગતનું કપટ ત્યાં છે. જ્યારે પૈણીને લાવશે તેમાં પાખંડ નથી, તેમાં કપટ નથી. આની જગતનાં લોકો નિંદા ના કરે. પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય માટે કુદરતની હેલ્પ અને પાછળના સંસ્કાર કંઈ કામ કરે કે ? (પા. ૩૪૭)દાદાશ્રી : હા, કરે. એ તો બહુ સંસ્કાર લઈને આવેલો હોય, આજુબાજુનાં ઘરનાં માણસો સારાં સંસ્કારી હોય. પૂર્વના સંસ્કારો હોય ત્યારે ઘરનાં માણસો સારાં મળી આવે. એનું મન એવું મહીં સરસ મજબૂત હોય ને ચોગરદમથી બધાય સંજોગો બાઝેલા હોય. આ કંઈ એમ ને એમ ગપ્પું ઓછું છે ? એક માણસ કરોડ રૂપિયા કમાઈને લાવ્યો તોય તે ગપ્પું નથી હોતું, તો આય કંઈ ગપ્પું છે ?! વિષય તૂટે, સામાવાળિયા થયેથીપ્રશ્નકર્તા : રવિવારના ઉપવાસને અને બ્રહ્મચારીઓને શું ‘કનેકશન’ છે ? રવિવારનો ઉપવાસ એમને શાથી કરવાનો ? દાદાશ્રી : એ તો કહેવાથી કરે છે. દાદાને સાતેય વાર જોડે કંઈ લેવાદેવા નથી, રાગ-દ્વેષ નથી. એ તો અમારા મોઢામાંથી નીકળી જાય એ વાર સારો અને કો’ક વખતે કોઈ જમાડનારાના મનમાં એમ થાય કે મારે ત્યાં સારું સારું જમવાનું બનાવ્યું છે ને આવા સંત પુરુષો જમવાના રહી જાય છે, જમતા નથી. ત્યારે અમારે આ લોકોને કહેવું પડે કે આજે જમજો. એક ટાઈમ જમવાની અમે આજ્ઞા કરીએ, એટલે પેલા ઘરવાળાને દુઃખ થાય નહીં. હા, બીજી વખત જમો તો તે ના ચાલે. આપણે કંઈ આ શરીરને બહુ કષ્ટ નહીં આપવાનું, નોર્માલિટીમાં રાખવાનું છે. તેથી દેહ તેજદાર થાય, ભભકાદાર થાય. પ્રશ્નકર્તા : શરીર જરા પુષ્ટ બને એવું રાખવાનું ખરું ? દાદાશ્રી : ના, પુષ્ટ નહીં. પણ તેજદાર હોવું જોઈએ, જે ‘સ્ટાન્ડર્ડ’ વજન હોય તેટલું રાખવું. આ રવિવારનો ઉપવાસ શેને માટે કરે છે ? વિષયનો સામો થયો છે. વિષય મારા ભણી આવે જ નહીં, એટલા માટે વિષયનો સામાવાળિયો થયો ત્યારથી જ નિર્વિષયી થયો. આ હું આમને વિષયના સામાવાળિયા જ કરું છું. કારણ કે આમનાથી એમ વિષય છૂટે એવો નથી, આ તો બધાં ચીભડાં કહેવાય, આ તો દુષમકાળનાં ખદબદતાં ચીભડાં કહેવાય. આમનાથી કશું છૂટે નહીં, તેથી તો પછી બીજા રસ્તા કરવાં પડે ને ? (પા. ૩૪૮)હવે તને, તું પોતે ‘વિષયનો સામોવાળિયો છું’ એવું લાગે છે ને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : આપણે વિષયના સામાવાળિયા થઈએ, તો શું રહે આપણી પાસે ? પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય રહે. દાદાશ્રી : સંયમ ધારણ કરવો એ તો બહુ મોટી વસ્તુ છે. આ તો ‘જ્ઞાની’ની આજ્ઞાથી સંયમ ધારણ થશે. નહીં તો આ માર્ગ વ્યવહાર સંયમનો નથી, આ તો જ્ઞાન માર્ગ છે. આ તો અમે આજ્ઞા આપીને સંયમ કરાવીએ છીએ. સંયમ આજ્ઞાથી થાય. આજ્ઞામાં વર્તે એટલે સંયમ થાય. પ્રશ્નકર્તા : આ બધાને આત્માનો આનંદ ને ઉલ્લાસ એટલાં બધા વધારી આપો કે બીજે સુખ ખોળવા જ જવું ન પડે. દાદાશ્રી : એ તો ખૂબ વધારી આપ્યાં છે, પણ હજુ તો આ લોકોને અંદરખાને અભિપ્રાય રહે છે કે આ વિષયમાં ઠીક છે, આ સારું છે. તે આ અભિપ્રાય બધા હું તોડું છું. એક અક્ષરનોય અભિપ્રાય ના રખાય. પ્રશ્નકર્તા : બધાને એવો અભિપ્રાય ઓછો હોય ? દાદાશ્રી : એવો તો કો’ક જ હોય. તેય પાંસરા ના મળે. મન તો બગડેલાં હોય એમનાંય, દેહ બગડેલો ના હોય, તોય પાંસરા તો ના જ કહેવાય ને ?! પ્રશ્નકર્તા : આપણા આખા મન-વચન-કાયા-ચિત્ત-બુદ્ધિ-અહંકાર બધે આત્માનો ઉલ્લાસ કેમ વ્યાપી જતો નથી પૂરેપૂરો ? દાદાશ્રી : હા, વ્યાપી જાય છે, પણ ભોગવે છે ક્યાં ? હજુ તો પેલી પાછલી ખોટો છે. પાછલું જે પૂરણ કરેલું, તે ગલન થાય છે, તેમાં એકાકાર થઈ જાય છે. જલેબી તમારે ખાવી હોય તેટલી ખાવ, બાકીની બીજી જલેબી તમે નાખી દો, તો જલેબી તમારી ઉપર કંઈ દાવો માંડે ? પ્રશ્નકર્તા : પણ વિષય કેવી રીતે દાવો માંડે ? (પા. ૩૪૯)દાદાશ્રી : એ તો તમને એમ લાગે કે સામો દાવો નથી માંડતું. સામો માણસ દાવો ના માંડે તો તેનોય કંઈ સવાલ નથી, પણ એ તો પરમાણુઓ દાવો માંડે છે અને આ પરમાણુઓની તો એટલી બધી ઇફેક્ટ થાય છે કે ઓહોહો, કંઈ અજબ ઇફેક્ટ થાય છે !! પ્રશ્નકર્તા : પણ એ પરમાણુઓનું તો તમે કહો છો ને, કે જૂનું લઈને આવ્યા છે એટલે એ પ્રમાણે અસર તો થતી હશે ને ? દાદાશ્રી : મારું શું કહેવાનું છે કે અસર થતી હોય તોય તમે એનાથી છેટા રહો, એના દુશ્મન થઈ જાવ કે જેથી એમાં મિત્રતા ના રહે, નહીં તો એ તમને ધવડાવી ધવડાવીને પાછા પાડી નાંખશે !! અમે વિષયની વાત કરી ત્યારે આમણે પહેલામાં પહેલું કહ્યું કે આ વિષયનું સેવન એ ખોટું છે, એવું અમને આજે જ્ઞાન થયું. લોકોને તો ‘આ ખોટું છે’ એવુંય જ્ઞાન નથી. અરે, ભાન જ નથી ને ! જાનવરોમાં ને આમનામાં ફેર કેટલો છે ? અમુક જ ટકાનો, લાંબો ફેર જ નથી. એટલે ‘આ ખોટું છે’ એમ જાણવું તો પડશે ને ?! પ્રશ્નકર્તા : ‘વિષયોનું સેવન એ ખોટું છે’ એવું તો મોટા ભાગના હિન્દુસ્તાનમાં બધા જાણે છે. દાદાશ્રી : ના, બધાને ખબર નથી. હજુ તો તમનેય ખબર નથી ને ! ‘શું ખોટું છે ?’ એની ખબર ના પડે. તમે તમારી સમજણ પ્રમાણે એને ખોટું માનો કે ‘ઓહોહો, મિયાં-બીબી રાજી તો ક્યા કરેગા કાજી’ એવું તમે સમજો છો. અરે, મિયાં-બીબી લાખ રાજી હોય તોય પણ એમાં જોખમ શું છે ? એ તમે ના સમજો. અને પૈણત અને હરૈયું, એમાં શું ફેર છે ? એ તમે ના સમજો. પૈણત કે હરૈયું બધી જોખમદારી જ છે. આમાં જોખમદારીનું ભાન છે કોઈને ? જોખમદારીનું ભાન તો એકલો હું જ જાણું છું. હરૈયો શબ્દ ના સમજે માણસ, એ પછી ક્યાં જાય ? નર્કગતિના અધિકારી થાય. પૈણવું જ હોય તો પૈણોને, દસ પૈણો. તેની કોણ ના પાડે છે ! પણ દ્રષ્ટિ બધે બગાડે છે તે જોખમ છે અને એ તો હરૈયા ઢોર જેવી અવસ્થા કહેવાય. દેહ હરૈયું ના હોય, તો મન હરૈયું હોય. એટલે અત્યાર (પા. ૩૫૦)સુધી જે ભૂલો થઈ હોય, તેનું પ્રતિક્રમણ કરી કરીનેય ચોખ્ખું કરી નાખવું અને એને માફ કરાવવાનું મારી પાસે હથિયાર છે. પછી નવેસરથી ચોખ્ખું રહે. આલોચના, આપ્તપુરુષ પાસે જપ્રશ્નકર્તા : આપની પાસે એવા લોકો આવે છે કે જે પોતાના પાછલા દોષો થયા હોય તેની આપની પાસે આલોચના કરે, તો આપ એને છોડાવો છો ? દાદાશ્રી : મારી પાસે આલોચના કરે એટલે મારી સાથે અભેદ થયો કહેવાય. અમારે તો છોડાવવા જ પડે. આલોચના કરવાનું સ્થળ જ નથી, જો સ્ત્રીને કહેવા જાય તો સ્ત્રી ચઢી બેસે, ભઈબંધને કહેવા જઈએ તો ભઈબંધ ચઢી બેસે, પોતાની જાતને કહેવા જઈએ તો જાત ચઢી બેસે ઊલટું, એટલે કોઈને કહે નહીં. અને હલકું થવાતું નથી. એટલે અમે આલોચનાની સિસ્ટમ (પદ્ધતિ) રાખી છે. પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષ સમક્ષ આ ભવમાં જે દોષો આપણે કર્યા હોય, તેની માફી માંગી શકાય ? દાદાશ્રી : હા. એ દોષો પછી મોળા થઈ જાય. જ્ઞાની પુરુષ પાસે આલોચના કરવામાં આવે, તે પોતે મોઢે કહે તો ઉત્તમ. અમને રૂબરૂ કહે, બધાની હાજરીમાં કહે એ ઓર્કેસ્ટ્રા ક્લાસ. પછી તમે કહો કે ના, હું એકલો હોઈશ, ત્યારે દાદાને કહીશ, એ ફર્સ્ટ ક્લાસ. અને પછી તમે કહો કે દાદા મોઢે નહીં કહું, કાગળમાં આપીશ, તો સેકન્ડ ક્લાસ. અને તમે કહો કાગળમાંય નહીં, હું મનમાં ત્યાં ને ત્યાં ઘેર કરી લઈશ, એ થર્ડ ક્લાસ. જે ક્લાસમાં બેસવું હોય તેને છૂટ છે. પણ બધાને મારી જોડે એકતા આવી જાય છે કારણ કે હાર્ટ ‘પ્યૉર’ જ છે ને ! મને તો અભેદ જ લાગે બધા. અને પોતાનું જે એફીડેવીટ (ગુનાની કબૂલાત) લખે છે, તેમાં એકેય દોષ લખવાનો બાકી નથી રાખતાં. પંદર વર્ષની ઉંમરથી માંડીને ચાલીસ વર્ષની ઉંમર થઈ ત્યાં સુધીના બધા જ દોષો લખીને આપી દે છે, આ છોકરાં, છોકરીઓ બધાંય જાહેર કરી દે છે. જેને દોષ કાઢવા હોય તેણે અમારી પાસે આલોચના કરવી જોઈએ. (પા. ૩૫૧)જેને બહુ મોટો દોષ થયો હોય અને એ દોષ કાઢવો હોય, તો મારી પાસે આલોચના કરે તો આલોચના કરતાંની સાથે જ તેનું મન મારી પાસે બંધાઈ ગયું. પછી અમે ભગવાનની કૃપા ઉતારીએ અને એને ચોખ્ખો કરી આપીએ. અમારી પાસે આલોચના લખી લાવે. તે જેટલા જેટલા દોષ એ પોતે જાણતો હોય, એ બધા જ દોષ આમાં લખે છે. તે પછી એક જણ નહીં, હજારો માણસ ! હવે એ દોષોનું અમે શું કરીએ છીએ ? એનો કાગળ વાંચી, એની પર વિધિ કરીને પાછાં એના હાથમાં આપીએ છીએ. તે એને કેટલો વિશ્વાસ ! વર્લ્ડમાં ના બન્યા હોય એવા દોષો લખે છે ! દોષો વાંચીને જ તમને એમ થઈ જાય કે અરેરે, આ તે કેવાં દોષ ?! આવા હજારો માણસોએ પોતાના દોષ લખી આપેલા. સ્ત્રીઓએ બધા દોષ ઊઘાડા કરીને કહેલાં છે, સંપૂર્ણ દોષ. સાત ધણીઓ કર્યા હોય તો, સાતેયના નામ સાથે લખેલા હોય, બોલો હવે અમારે શું કરવું અહીં ? વાત સહેજ બહાર પડી તો એ આપઘાત કરી નાખે, તો અમારે જોખમદારી બહુ આવે. સાચી આલોચના કરી નથી માણસે. તે જ મોક્ષે જતાં રોકે છે. ગુનાનો વાંધો નથી. સાચી આલોચના થાય તો કશો વાંધો નથી. અને આલોચના ગજબનાં પુરુષ પાસે કરાય. પોતાના દોષોની કોઈ જગ્યાએ આલોચના કરી છે જિંદગીમાં ? કોની પાસે આલોચના કરે ? અને આલોચના કર્યા વગર છૂટકો નથી. જ્યાં સુધી આલોચના ના કરો તો આને માફ કોણ કરાવે ? હવે તો દેવું ચૂકવી દોજેને કંઈ પણ જોઈતું હોય તો તેને અમારા વચનબળથી પ્રાપ્ત થઈ જાય એવું છે. અત્યાર સુધી થયેલા તમામ દોષો હું ધોઈ નંખાવડાવું હઉ. હવે દેવું કાઢી આપતા હોય તો સારું કે નહીં ? પછી નવેસરથી દેવું કરો નહીં, પણ અત્યાર સુધીનું દેવું કાઢી નાખ્યું એટલે બધી ભાંજગડ ઊડી ગઈ ને ?! નહીં તો એક ફેર દેવું થાય એટલે એ વધારે ને વધારે દેવામાં ઉતારે. શું કહે કે હશે, આટલાં નાદાર થયા તો આટલાં વધારે. પછી સરવાળે શું (પા. ૩૫૨)આવે ? દુકાન હરાજ થાય. ખરી રીતે આ વિજ્ઞાન એવું છે કે ‘તમે આમ કરો કે તેમ કરો’ એવું કશું બોલાય નહીં, પણ આ તો કાળ એવો છે ! એટલે અમારે આ કહેવું પડે છે. આ જીવોનાં ઠેકાણાં નહીં ને ? આ જ્ઞાન લઈને ઊલટો ઊંધે રસ્તે ચાલ્યો જાય. એટલે અમારે કહેવું પડે છે અને તેય અમારું વચનબળ હોય પછી વાંધો નહીં. અમારા વચનથી કરે એટલે એને કર્તાપદની જોખમદારી નહીં ને ! અમે કહીએ કે ‘તમે આમ કરો.’ એટલે તમારી જોખમદારી નહીં અને મારી જોખમદારી આમાં રહેતી નથી !!! એ પામે પરમાત્મ પદપ્રશ્નકર્તા : જ્યારે કસોટી થાય અને જે સંયમ પાળે, તે સંયમ કહેવાય. જ્યારે વિષયના વાતાવરણમાં આવે અને એમાંથી જો પસાર થાય તો કહેવાય કે આને સંયમ છે. દાદાશ્રી : પણ વિષય બાજુના વિચારો કોઈ દહાડો ના આવતા હોય તો, એની વાત જ જુદી ને ! કારણ કે પૂર્વ ભવે ભાવના કરી હોય તો વિચાર ના આવે. અમને બાવીસ-બાવીસ વર્ષથી વિષયનો વિચાર જ નથી આવ્યો, જ્ઞાન થતાં પહેલાંના બે વર્ષ તો વિષયનો વિચાર સુદ્ધાં નહીં આવેલો. અમારાથી વિષય-વિકારી સંબંધ નહોતા થયા. વિકારી સંબંધમાં અમને એ મિથ્યાભિમાન હતું કે અમારાથી આ ના થાય. અમારા કુળના અભિમાનથી આ ઘણું સચવાઈ ગયેલું. એટલે બ્રહ્મચર્ય એ ઊંચામાં ઊંચી વસ્તુ છે. એના જેવી કોઈ ઊંચી વસ્તુ જ નથી ને ! હવે અનુપમ પદ છોડી ઉપમાવાળું પદ કોણ લે ? જ્ઞાન છે તો પેલો આખા જગતનો એંઠવાડો કોણ અડે ? જગતને પ્રિય એવાં જે વિષયો એ જ્ઞાની પુરુષને એંઠવાડો લાગે. આ જગતનો ન્યાય કેવો છે કે જેને લક્ષ્મી સંબંધી વિચાર ના હોય, વિષય સંબંધી વિચાર ના હોય, જે દેહથી નિરંતર છૂટો જ રહેતો હોય, તેને જગત ભગવાન કહ્યા વગર રહે નહીં !! (પા. ૩૫૩)[18] દાદા આપે પુષ્ટિ, આપ્તપુત્રીઓનેમોહ આવરે જાગૃતિનેજગત જાણતું જ નથીને કે આ રેશમી ચાદરથી વીંટેલું છે બધું ? પોતાને જે ગમતો નથી એ જ કચરો, આ રેશમી ચાદરથી વીંટેલો છે. એ તમને લાગે છે કે નથી લાગતું ? એટલું સમજે તો નર્યો વૈરાગ જ આવે ને ? એટલું ભાન નથી રહેતું. તેથી જ આ જગત આવું ચાલે છે ને ? એવી કોઈને જાગૃતિ હશે આ બહેનોમાંથી ? કોઈ માણસ રૂપાળો દેખાતો હોય ને એને છોલે તો શું નીકળે ? પ્રશ્નકર્તા : લોહી-માંસ ને એ બધું નીકળે. દાદાશ્રી : માંસ-પરું એવું બધું ને ? અને રૂપ ક્યાં ગયું પછી ? આવાં બધા વિચાર નથી કર્યા, તેને લીધે આ મોહ છે ને ?! પ્રશ્નકર્તા : હા, એવું જ લાગે છે. દાદાશ્રી : હા, જુઓને કેવી ફસામણ !!! વિચાર કરે તો ફસામણ જેવું નથી લાગતું, બહેન ?! બુદ્ધિથી વાત સાચી લાગે છે ને, કે આ બધો મહીં ગંદવાડો છે ? દરેકનામાં ગંદવાડો હશે કે કેટલાંક ચોખ્ખા હશે, મીણ જેવાં ? પ્રશ્નકર્તા : દરેકનામાં ગંદવાડો છે. દાદાશ્રી : આ દાદાજીમાં હઉ ગંદવાડો છે. દાદાજી એટલે ‘દાદા ભગવાન’ એ જુદા છે અને આ ‘એ. એમ. પટેલ’ જુદા છે. પટેલમાં ગંદવાડો જ હોય, ‘દાદા ભગવાન’માં ગંદવાડો ના હોય. (પા. ૩૫૪)આ શરીરમાં આવો બધો ગંદવાડો છે એવી જાગૃતિ રહે, તો ગમે તેવાં રૂપાળા દેખાય તોય મોહ ઉત્પન્ન થાય ખરો ? પ્રશ્નકર્તા : ના થાય. દાદાશ્રી : એ જાગૃતિ નથી, તેનો આ મોહ ઉત્પન્ન થાય છે અને એ મોહમાંથી પછી નર્યાં દુઃખો જ બધાં ઊભાં થાય છે. નહીં તો દુઃખ તે હોતું હશે ? અને કોઈ કહેશે કે ત્યારે લગ્ન શું કામ કરો છો ? ત્યારે હું કહું કે લગ્ન તો કરવું પડે, ફરજિયાત કરવું પડે. આપણી ઇચ્છા ના હોય તોય ચોરીમાં બેસાડી દે, તો શું થાય ? બેસાડે કે ના બેસાડે ? પ્રશ્નકર્તા : બેસાડે. દાદાશ્રી : બધા ભેગા થઈને બેસાડે ને ? ‘સાયન્ટિફિક સરકમ-સ્ટેન્શિયલ એવિડન્સ’ બેસાડે, એમાં છૂટકો જ નહીં. એ ભોગવટો તો બધો ભોગવવો જ પડે. બાકી, ના પૈણવું હોય તો લફરું કોણ ઊભું કરે ? પૈણવું હોય તો કુદરતી છૂટકો જ નથી. નહીં તો વગર કામનું રાજીખુશીથી કોઈ લફરું ઊભું જ ના કરે ને ? કોઈ કરે ? આ વાતથી બધી બહેનોને સમજ પડે છે ને ? કોઈ છોકરો સારાં કપડાં-બપડાં પહેરીને, નેકટાઈ-બેકટાઈ પહેરીને બહાર જતો હોય, તે મૂઆને કાપે તો શું નીકળે ? તું અમથો શું કામ નેકટાઈ પહેર પહેર કરે છે ? મોહવાળા લોકોને ભાન નથી. તે રૂપાળો જોઈને મૂંઝાઈ જાય બિચારા ! જ્યારે મને તો બધું ઉઘાડું આરપાર દેખાય. આ બધા માણસો કપડાં કાઢીને ફરે તો તને ખરાબ ના લાગે ? પ્રશ્નકર્તા : બહુ ખરાબ લાગે. દાદાશ્રી : એટલે આ કપડાંને લીધે સારાં દેખાય છે. કપડાં વગેરેય પછી સારાં દેખાય ? આ કપડાં વગર તો ગાયો, ભેંસો, બકરીઓ, કૂતરાંઓ બધાં જ સારાં દેખાય, પણ માણસો સારાં ન દેખાય. હવે આવું જ્ઞાન જ કોઈ આપે નહીં ને ? આવી વિગતવાર સમજણ જ કોઈ પાડે નહીં ને ? પછી મોહ જ ઉત્પન્ન થાય ને ! દાદાજી તો કહેતા હતા કે આ તો બધું (પા. ૩૫૫)આવો ગંદવાડો છે, પછી મોહ શેનો ઉત્પન્ન થાય ? કોઈ બહેન કે ભાઈ ગમે તેવા પટિયાં પાડીને ફરતો હોય, તો આપણને શું એમાં ? મહીં ચીરે ત્યારે શું નીકળે એમાંથી ? આ જેમ દૂધી છોલીએ છીએ, તેમ એને છોલીએ ત્યારે શું થાય ? મહીં કચરો દેખાય ને ? કો’કને અહીં પરુ થયું હોય તે આપણને કહે કે લો, આ ધોઈ આપો. તો તે તને ગમે ? એને તો અડવાનું જ ના ગમે ને ? અને કોઈ ભાઈબંધ હોય અને પરું ના થયેલું હોય તો તને આમ હાથ અડાડવાનું ગમે ને ? પણ આ તો મહીં કચરો જ માલ ભરેલો છે. એને તો હાથેય અડાડાય નહીં. મોહ કરવા જેવું જગત છે જ ક્યાં ? પણ એવું વિચાર્યું જ નથી ! કોઈએ કહ્યું નથી !! માબાપ પણ શરમના માર્યા કહે નહીં. પોતે ફસાયેલાં, તે બધાને ફસાવ્યા કરે. આ દાદાજી ફસાયા નથી એટલે બધાંને ઉઘાડું કહી દે, કે ‘જો, આ રસ્તે ફસાશો. આ રસ્તા નથી સારા. આ તો ભયંકર માર્ગ છે.’ દાદાજી આમ લાલ વાવટો ધરે કે ‘ભઈ, આ પુલ પડવાનો થયો છે.’ પછી ગાડીને આગળ ના જવા દો ને ? હજી નાની ઉંમર તમારી, તેમાં એક ફેર જ ફસાયા પછી છટકવું બહુ જ મુશ્કેલ છે. માટે પહેલેથી ચેતીને ચાલવું. બહાર તો જગત જોવા જેવું જ નથી. ફ્રેન્ડશિપ કરવા જેવું જગત જ નથી. એવું તને લાગ્યું ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : પૈણવા જેવુંય જગત નથી, પણ પૈણવાનું તો આપણે છૂટકો જ નથી. એ આપણા હાથમાં જ નહીં ને ! આપણે ના પૈણવું હોય તોય મારી રડાવી કરીને ચોરીમાં બેસાડે. એ તો ફરજિયાત છે, દંડ છે એક જાતનો. એ તો ભોગવ્યા વગર છૂટકો જ ના થાય, એ ‘વ્યવસ્થિત’ છે. આ બેનનેય મનમાં ભાવના થાય કે આ બધાય વ્રત લે છે ને હું લઉં, તો હું ના પાડું એને. છ મહિને-બાર મહિને જ્યારે સંજોગ બેસે ત્યારે પૈણી જા. અમે આશીર્વાદ આપીશું અને પછી તારો લાભ થાય એવો રસ્તો કરી આપીશ. અને સારો લાભ થશે. આ મૂંઝવણ થઈ, તે મૂંઝવણ કોઈ છોડી આપશે નહીં. (પા. ૩૫૬)હું તો છોકરીઓને ના પાડું. જ્ઞાનમાં રહેતી હોય તોય ના પાડું. પ્રશ્નકર્તા : હા, એમાં દેખાદેખી કરવા જેવું નથી. દાદાશ્રી : પુરુષને તો નભાવી લેવાય. કારણ કે પુરુષને તો બીજો ભય નહીં ને, આને તો બીજા ભય ના હોય તો કો’ક સળી કરે. પૈણવાનો આધાર નિશ્ચય પરપ્રશ્નકર્તા : ના પૈણવાનો અમે નિશ્ચય કરીએ, તો પછી ‘વ્યવસ્થિત’ એવું આવે ? દાદાશ્રી : ના પૈણવાનો જબરજસ્ત નિશ્ચય હોય તો પૈણવાનું ના આવે. તે પણ નિશ્ચય પાછો બીજે દહાડે ભૂલી જઈએ એવો ના હોવો જોઈએ. નિશ્ચય કોનું નામ કહેવાય કે નિરંતર યાદ રહ્યા કરે. નિશ્ચય ભૂલી ગયા એટલે પછી પૈણવાનું આવશે એ વાત નક્કી છે. નિશ્ચય ભૂલાયો નહીં, તો પૈણવાનું નહીં આવે એની હું ગેરન્ટી લખી આપું. કારણ કે જે ગામ આપણે જવું છે એ તો ભૂલાવું ના જોઈએ ને ? આપણે બોમ્બે સેન્ટ્રલ જવું હોય તો પછી એ ભૂલી જઈએ તો ચાલે ? એ તો યાદ રહેવું જોઈએ ને ? એમ આપણે ‘નથી પૈણવું’ એવો જે નિશ્ચય કર્યો છે, એ નિશ્ચય ભૂલાય નહીં, એટલે એને પૈણવાનું આવે જ નહીં. પેલા બધા પૈણાવા ફરે, છોકરો ખોળી લાવે, તોય કુદરત તાલ ખાવા ના દે. બાકી આ સંસાર તો નર્યો દુઃખનો સમુદ્ર જ છે, એનો પાર ના આવે. દોષ, આંખનો કે અજ્ઞાનતાનો ?હવે આ જ્ઞાન બધું હાજર રહેશે ને ? એ તો આપણને હાજર જ રહેવું જોઈએ કે આ છોલે તો શું દેખાય ? આ આંખનો સ્વભાવ છે ખેંચાઈ જવું. એવી રૂપાળી મૂર્તિ દેખેને, તો આંખને આકર્ષણ થાય. આ આકર્ષણ શી રીતે થયું ? ત્યારે કહે કે પૂર્વભવનો હિસાબ છે, આપણે આકર્ષણ ના કરવું હોય તોય થયા કરે. આકર્ષણ એ ડિસ્ચાર્જ થતી વસ્તુ છે. એટલે જ્યાં આકર્ષણ થાય ત્યાં આગળ આપણે જ્ઞાન હાજર કરવું કે દાદાજીએ કહ્યું છે કે ચામડી છોલે તો શું નીકળે ? એટલે વૈરાગ આવે ને પછી મન તૂટી (પા. ૩૫૭)જાય, નહીં તો આકર્ષણ જોડે મન એડજસ્ટ થયું તો ખલાસ કરી નાખે. લફરાં જ વળગી જાય. લફરાં વળગે એટલે પછી છૂટે નહીં, સાત-સાત અવતાર સુધી ના છૂટે, એવું વેર બાંધે. પણ આપણે તો મોક્ષે જવું છે. મોક્ષે જવાવાળાને આવા લફરાવાળો વેપાર પોષાય જ નહીં. જે માલ આપણને જોઈતો નથી, બધી હલવાઈવાળાની દુકાનો હોય પણ આપણને કશું લેવું ના હોય, તો આપણે એને જો જો કરીએ છીએ ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : એવી રીતે સ્ત્રીએ પુરુષોને જોવા ના જોઈએ અને પુરુષે સ્ત્રીઓને જોવી ના જોઈએ. કારણ કે એ આપણા કામની નથી. દાદાજી કહેતા હતા કે આ જ કચરો છે, પછી એમાં શું જોવાનું રહ્યું ? એક ફેરો એક મોટા સંત અગાસીમાં બેઠા બેઠા પુસ્તક વાંચતા હતા. કોઈ સામા મકાનની બારીમાં એક બહેન ઊભી હશે, તે એમણે એને જોઈ. એટલે એમની આંખ ખેંચાઈ અને એ તો વિચારશીલ માણસ, એટલે મનમાં થયું કે આ કેમ થાય છે ? આમ ના થવું જોઈએ. પછી પાછું વાંચવા માંડ્યું, પણ પાછી આંખ ખેંચાઈ. એટલે એમને થયું કે આ તો બહુ ખોટું કહેવાય. એટલે તરત ત્યાંથી ઊઠીને રસોડામાં ગયા અને રસોડામાં જઈને લાલ મરચું વાટેલું હતું તે આંખમાં નાખ્યું. આ એમણે સારું કર્યું ? એ આંખનો દોષ છે ? કોનો દોષ છે ? પ્રશ્નકર્તા : મનનો દોષ છે. દાદાશ્રી : ના, અજ્ઞાનતાનો દોષ છે. અજ્ઞાન છે તેથી ને ? હવે આંખમાં મરચું નાખ્યું તેવું એમના કોઈ શિષ્યો શીખ્યા નહીં. શિષ્યો જાણતા હતા કે ગુરુ મહારાજ ઈમોશનલ થઈ ગયા હશે ને મરચું નાખ્યું હશે, આપણે ના નંખાય, બાપ ! આંખમાં મરચું નાખ્યે ફાયદો શો થાય ? એનાં કરતાં મારી વાત યાદ રહી હોય તો મોહ જ ઉત્પન્ન ના થાય ને ? અને ખરેખર એમ જ છે. આ કંઈ ગપ્પું છે ? પ્રશ્નકર્તા : આંખ ખેંચાય, પણ વિકારી ભાવ ના હોય તો ? (પા. ૩૫૮)દાદાશ્રી : તો વાંધો નહીં. વિકારી ભાવ તો આપણામાં ના હોય, પણ સામાનામાં હોય ત્યારે શું થાય ? માટે ખેંચાણમાં ફસાવું નહીં. આંખ ખેંચાય ત્યાંથી છેટા રહેવું. બીજે બધે જ્યાં સીધી આંખો હોય ત્યાં બધો વહેવાર કરવો. આંખ ખેંચાય ત્યાં જોખમ છે, લાલ વાવટો છે. આપણામાં વિકારી ભાવ ના હોય, પણ પેલા સામાનું શું થાય ? બધે ખેંચાણ નથી થતું ને ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : એટલે ખેંચાણના કાયદા છે કે અમુક જગ્યાએ જ ખેંચાણ હોય, કંઈ બધે ખેંચાણ ના હોય. હવે આ ખેંચાણ શી રીતે થાય છે, તે તમને કહીં દઉં. આ ભવમાં ખેંચાણ ના થતું હોય, છતાં કોઈ ભઈને દેખ્યો, તે આપણા મનમાં એવું થાય કે, ‘ઓહોહો, આ ભઈ કેટલો રૂપાળો છે, દેખાવડો છે.’ એવું આપણને થયું કે તેની સાથે જ આવતાં ભવની ગાંઠ પડી ગઈ. એનાથી આવતાં ભવે ખેંચાણ થાય. શેનું રૂપ ? આ છોલે તો શું નીકળે ? રૂપ કોનું નામ કહેવાય કે છોલે તોય ખરાબ ના નીકળે. આ રૂપ તો જોવા જેવું નથી. આ હીરાનું રૂપ બરોબર છે. એને છોલીએ તો કશુંય ના થાય, એમાં ગંદવાડો નહીં ને ?! સોનાનું, ચાંદીનું રૂપ બરોબર છે. આ મનુષ્યના તો ગુણો હોય છે, પણ તે કેવા ગુણો હોય ? સંસારી ગુણો. સંસારી ગુણો વખાણવા જાય પછી આકર્ષણ થાય. એટલે આ ધાર્મિક ગુણો, જ્ઞાનના ગુણો વખાણે, તે વાત જુદી છે. બાકી વખાણવા જેવું જગત નથી, એક શુદ્ધાત્મા એકલો જ સમજવા જેવો છે. નિશ્ચય એનું નામ કહેવાય કે ભૂલાય નહીં. આપણે શુદ્ધાત્માનો નિશ્ચય કર્યો છે, તે ભૂલાય નહીં ને ? થોડી વાર ભૂલી જઈએ, પણ લક્ષમાં જ હોય પાછું, એનું નામ નિશ્ચય કહેવાય. કોઈની જોડે આપણે ફ્રેન્ડશિપ પણ ના કરીએ, બહુ ઘાલ-મેલ ના રાખીએ. આ તો એક ફેરો લફરાં વળગ્યાં પછી લફરું છૂટું ના થાય. ‘જેનું નિદિધ્યાસન કરે, તેવો આત્મા થાય. જે જે અવસ્થા સ્થિત થયે, વ્યવસ્થિત ચિતરાય.’ (પા. ૩૫૯)નિદિધ્યાસન એટલે કે ‘આ બહેન દેખાવડી છે કે આ ભાઈ દેખાવડો છે.’ એવો વિચાર કર્યો, એ નિદિધ્યાસન થયું એટલી વાર. વિચાર કર્યો કે તરત જ નિદિધ્યાસન થાય. પછી એવો પોતે થઈ જાય. એટલે આપણે જોઈએ તો આ ડખો થાય ને ? એના કરતાં આંખ નીચે ઢાળી દેવી જોઈએ, આંખ માંડવી જ ના જોઈએ. આખુંય જગત ફસામણ છે. ફસાયા પછી તો છૂટકારો જ નથી. આખી જિંદગીઓની જિંદગી ખલાસ થાય, પણ એનો ‘એન્ડ’ જ નથી ! પૈણ્યા વગર તો ચાલે એમ નથી અને પૈણવાનું તો જાણે કે મળશે, પણ આ બીજાં લફરાં તો ઊભાં ના કરીએ. લફરામાં બહુ દુઃખ છે. પૈણવામાં કંઈ એટલું બધું દુઃખ નથી. પૈણવાનું તો એક જાતનો વેપાર માંડ્યો કહેવાય. કેટલીક સ્ત્રીઓ નથી કહેતી કે વેપાર માંડ્યો ? તે વેપાર પાછો પૂરો થઈ જાય; એટલે પૈણવાનું તો એક જગ્યાએ હોય જ, હિસાબ લખેલો જ હોય, પણ બીજા લફરાંનો પાર ના આવે. આ જે બધી દાદાજીએ વાત કરી એ ભૂલાશે કે તને ? ઘેર જાય તોય ના ભૂલાય ? પ્રશ્નકર્તા : મહીં ટેપ કરવાનો નિશ્ચય કર્યો છે. દાદાશ્રી : હા, બરાબર છે. અમે તો તમને મહીં ઠોકર ના વાગે એટલે સુધી બધું દેખાડીએ. પછી તમે જાણી-જોઈને અમારા શબ્દો ઓળંગો તો ઠોકર વાગે, પછી તો આ જ્ઞાન પણ જતું રહે. આ જ્ઞાન ઠેઠ મોક્ષે લઈ જાય એવું છે. આ સંસારમાં તે સુખ હોતું હશે ? સુખ તો આ આત્માની વાત કરીએ છીએ, એમાં આવે છે ને ? એમાં સુખ છે. પૈણ્યા વગર તો છૂટકો જ નહીં ને ? એવું તું સમજે કે નહીં ? આપણાં માબાપ અને બધાં ભેગાં થઈને પૈણાવી જ દે. આપણી ઇચ્છા ના હોય તોય પૈણાવી દે. આપણી શાથી ઇચ્છા ના હોય ? કે આપણે એક સેમ્પલ જોયું હોય, તે સેમ્પલ આના કરતાં જરા રૂપાળું દેખાતું હોય એટલે પેલું ગમે અને આ ના ગમે. અલ્યા, એ પણ સેમ્પલ છે અને આ પણ સેમ્પલ છે. બેઉને છોલે ત્યારે મહીં શું નીકળે ? તે પોતાને પેલા (પા. ૩૬૦)સેમ્પલમાં જ જીવ રહ્યા કરે કે પેલું કેવું સરસ હતું અને મારા ફાધર આ લાવ્યા, તે કેવું કદરૂપું ! પ્રશ્નકર્તા : શરીરની વાત જવા દઈએ. જો માણસનું મન સારું કેળવાયેલું હોય તો એમાં ફેર ના પડે ? દાદાશ્રી : એ કેળવાયેલું મન તો અમુક જ માણસનું હોય. બધાં લોકોનાં મન કેળવાયેલાં હોય નહીં ને ? આ બધા લોકો ફરે છે તેમના મન કશાં કેળવાયેલાં નહીં, એ તો દગડુંમન. તેથી અમે આ કેળવણી કરીએ. ત્યાર પછી ફસાય નહીં. નહીં તો કેળવણી ના હોય તો પછી ફસાઈ જાય. આ જગત તો શિકારી છે, શિકાર ખોળે છે. આખું જગતેય શિકાર કરવાને નીકળ્યું છે. લક્ષ્મીના, વિષયોના, બધાના જ્યાં ને ત્યાં શિકાર જ ખોળ ખોળ કરે છે. આ બહેનોની ઉંમર નાની ને આ જ્ઞાન ના મળે તો કેટલું બધું જોખમ છે ! એક ફેર ફસાયા પછી આમાંથી નીકળવું મહામુશ્કેલ છે. પછી તો લફરું વળગ્યું. હવે આ ફસામણ છે, લફરું છે એવું જાણી ગયા ને ? ‘લફરું જો જાણી કહ્યું, તો છૂટું પડતું જાય.’ એનો શો અર્થ તમને સમજાયો ? એક ભાઈ કૉલેજમાં ભણતો હતો. તે પારસી લેડી જોડે ફરવા માંડ્યો. એ જૈન હતો એટલે એના બાપે શું કહ્યું, ‘આ તે લફરું ક્યાંથી વળગાડ્યું છે ?’ એટલે છોકરો કહે કે, ‘મારી ફ્રેન્ડને તમે લફરું કહો છો ? તમે કેવા માણસ છો ?’ આવું છોકરો કહે છે, એનું કારણ ? જ્યાં સુધી તેને ‘આ લફરું છે’ એ સમજણ પડી નથી, ‘આ ફ્રેન્ડ જ છે’ એવું જાણવામાં આવે છે ત્યાં સુધી લફરું ભેગું થયા કરે. પણ એક દહાડો જ્યારે તેણે જોયું કે એ પારસણ બીજા એક જણની જોડે ફરતી હતી, એટલે પેલાના મનમાં વહેમ પડ્યો કે ‘આ તો લફરું છે.’ મારા પપ્પાજી કહેતા હતા, તે સાચી વાત છે. જ્યારથી એણે જાણ્યું કે ‘આ લફરું છે’, ત્યારથી એ એની મેળે છૂટું પડી જાય. આ જ્ઞાન કેવું હશે ? કે લફરું જાણે ત્યારથી છૂટું પડતું જાય. કૉલેજમાં લોકો લફરાં વળગાડે એવાં હોય છે ને ? (પા. ૩૬૧)પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એ તને ખબર પડે ને, કે પેલાને અહીં લફરું છે ? બધી ખબર પડે. એટલે આપણે આ બાજુ એટલું શીખી જવું જોઈએ કે આપણી સેફસાઈડ શેમાં છે ? આ દાદાએ જે કહ્યું, એ સેફસાઈડ. આ બધા ‘દૂધિયા’ કાપો તો મહીંથી નર્યો કચરો નીકળે. આ જાનવરોમાં લિમિટેડ બુદ્ધિ છે અને મન પણ લિમિટેડ છે. એટલે જાનવરોને આપણે શીખવાડવા ના જવું પડે કે તમે આ લફરાં ના વળગાડશો. કારણ કે જાનવરોને આસક્તિ જ ના હોય. આસક્તિ તો બુદ્ધિવાળાને હોય. જાનવરો બધું કુદરતી જીવન જીવે, નોર્મલ જીવન જીવે અને આ મનુષ્યો તો બુદ્ધિવાળા. એટલે આસક્તિ ઊભી કરે કે કેવી સરસ દેખાય છે ! મેરચક્કર, મૂઆ એને છોલો તો ખરાં. મહીં છોલે ત્યારે શું નીકળે ? એ આ સત્સંગમાં જ રહેવા જેવું છે. બીજે કશે ભાઈબંધી કરવા જેવી નથી. સત્યુગમાં ભાઈબંધી હતી, તે ઠેઠ સુધી, આખી જિંદગી સુધી ભાઈબંધી પાળે. અત્યારે તો દગા દે છે. વૈરાગ લાવવા માટે લોકોએ પુસ્તકો લખ લખ કર્યાં. એંસી ટકા પુસ્તકો વૈરાગ લાવવાનાં લખ્યાં, તોય કોઈને વૈરાગ દેખાયો નહીં. વૈરાગ તો આ જ્ઞાની પુરુષ એક કલાક બોલેને તો ભવોભવ વૈરાગ યાદ રહે. આ જ્ઞાનથી વૈરાગ રહે કે ન રહે ? પ્રશ્નકર્તા : હા, રહે. આજના સત્સંગથી ઘણો જ ફેર પડી ગયો. દાદાશ્રી : આ સત્સંગ ના હોય ત્યાં સુધી માણસ મૂંઝાયેલો રહે. આવું પઝલ ઊભું થાય ત્યાં શું કરવું, તે ખબર ના હોય. આ તો પઝલ ઊભું થાય, એટલે દાદાજીના શબ્દો યાદ આવે. કૉલેજમાં તો ઘણાં રોગ ઉત્પન્ન થઈ જાય છે. નર્યા રોગ જ કૉલેજમાં ઊભા થાય છે. બધું જોખમ છે. આપણે આપણી મેળે જ ભણવું, કરવું, પણ આપણી સેફસાઈડ રાખવી. આપણે સેફસાઈડ રાખીને કામ (પા. ૩૬૨)લેવું, નહીં તો બધે લપસવાનાં સાધન છે. એક ફેરો લપસ્યા પછી ઠેકાણું ના પડે, દરિયામાં ઊંડો ઊતર્યો પછી ક્યારે પાર આવે ? બહેનો તો બધી કમળ જેવી કહેવાય અને પછી દુઃખ થાય, તે તો દાદાજીના નામ પર દુઃખ થયું કહેવાય. તે દાદાજી ચેતવે નહીં ? અને દાદાજી પર આવો ભરોસો થયો તોય દુઃખ આવ્યું ?! એટલે દાદાજી તો ચેતવે. દાદાજી બૉર્ડ મારે કે ‘બીવેર’. આ બૉર્ડ મારે છે ને, ‘બીવેર ઑફ થીવ્ઝ’, ‘ચોરો પાસુન સાવધ રહા ?’ એવું આ ‘બીવેર’નું બૉર્ડ મારીએ છીએ. અમે બધા આપ્તપુત્રોને કહ્યું કે તમારે પૈણવું હોય તો અમે તમને છોકરી દેખાડીશું, ફર્સ્ટ કલાસ છોકરી ને એમ તેમ. તોય ના પાડે છે. એ તો છોકરાનાં માબાપ મને કહે નહીં કે તમારે લીધે આ છોકરાઓ કુંવારા રહે છે. હું કહું, ‘બરાબર છે.’ પણ એમની રૂબરૂમાં કહું કે ‘પૈણો.’ અમે એવું બોલીએ નહીં કે ‘આમ જ કરો.’ એવું કોઈને કહીએ નહીં. પૈણવું-ના પૈણવું તારા કર્મના ઉદયને આધીન છે. અમેય પૈણી ને રાંડેલા જ છીએ ને ! માંડે એ રાંડે. પૈણતી વખતે વિચાર આવેલો મને કે આ માંડીએ છીએ પણ રાંડવું પડશે એક દહાડો. પૈણતી વખતે, ચોરી ઉપર જ વિચાર આવેલો. પંદર વર્ષની ઉંમરે. તે મેં પુસ્તકમાં જાહેર કરેલું તે લોકો હસે છે ! બળ્યું માંડીએ એટલે રાંડવું જ પડે ને ! એ બેમાંથી એક જણને તો રાંડવું પડે ને ! તું જાણતી ન્હોતી, પૈણે એ રાંડે, માંડે એ રાંડે ? પ્રશ્નકર્તા : તે ઘડીએ, પૈણતી વખતે તો એમ જ હોય કે જન્મ જન્મ કા સાથ હો. દાદાશ્રી : હા. પણ જે વૈરાગી મન થયા પછી આવું ખબર પડે ને ! સરવૈયું કાઢે ને બળ્યું ! એક દહાડો સરવૈયું કાઢતાં આવડે કે ના આવડે બળ્યું ! પ્રશ્નકર્તા : આવડે. દાદાશ્રી : આ જગતનું સરવૈયું કાઢવું. સરવૈયું કાઢતા આવડે તો નરી ખોટ જ કાઢે ને ! પણ લોકો ના જ કાઢે ને કોઈ દહાડોય. સરવૈયું (પા. ૩૬૩)કાઢતા ના આવડતું હોય, એ તો નફો જ જુએ આમાં. ‘બેફામ નફો છે’, કહેશે. પ્રશ્નકર્તા : તમારી હાજરીમાં એડજસ્ટમેન્ટ કરી લેવાનું. દાદાશ્રી : હા. આ તો આપ્તપુત્રો તો જ્ઞાનને લઈને બ્રહ્મચર્ય રાખી ગયા, નહીં તો બ્રહ્મચર્ય રાખવું એ તો મહામુશ્કેલ વસ્તુ છે. આ તો જ્ઞાન અને જ્ઞાનીની આજ્ઞા, શું ના કરી શકે ? એટલે મનમાં વિચાર અવળો નહીં આવવાનો. મારી પાસે છોકરા બધા આવે છે ને હિન્દુસ્તાનમાં. ‘અલ્યા ભઈ, પૈણોને.’ કહ્યું. આટલી બધી છોકરીઓ, લોકોની છોકરીઓ ક્યાં જશે ? ના, અમે તો બધું સુખ જોયું ને અમારા માબાપનું, લઢે છે એ તો અમે જોઈએ છીએ ને સુખ, એટલે અમે જાણી લીધું કે ‘ભઈ, આમાં સુખ નથી.’ ‘અમે આ મા-બાપનો અનુભવ જોયો, એટલે હવે અમારે પૈણવું નથી.’ કહે છે. મારી પાસે સોએક છોકરાં છે. હા, બ્રહ્મચર્ય પાળે છે, જબરજસ્ત. કડક બ્રહ્મચર્ય પાળે છે. સ્ત્રી પર દ્રષ્ટિ ના કરે, દ્રષ્ટિ થઈ તો પ્રતિક્રમણ તરત. છોકરીઓએ બ્રહ્મચર્ય વ્રત પાળનારી છે એવી મજબૂત. અમુક ના પાળી શકે, અમુક લોકો જ. સ્ત્રીઓને મોહ વધારે હોય, છોકરીઓને તે ના પાળી શકે. જેને મોહ ઓછો અને જે અમે પછી એને દવા આપીએ, તે ઓલરાઈટ થઈ જાય. આ લગ્નસંબંધનાં સ્વરૂપ તો જુઓબધાં લોકો કહે ત્યારે એક ફેરો આપણને ઠીક લાગે તો પૈણી જવું. આ તે કંઈ હજાર-બે હજાર વર્ષનું લગ્ન નથી. આ તો પચ્ચીસ વર્ષના કે પચાસ વર્ષના કરાર. કંઈ લાંબા કરાર નહીં ને ? લાંબા કરાર હોય તો ના પૈણવું જોઈએ. આ તો ટૂંકા કરાર, શોર્ટ કરાર છે. આ કંઈ લાંબા કરાર છે ? અને તે છૂટું થવાનીય સરકારે છૂટ કરી આપી છે ને ? છૂટ નથી કરી આપી ? પ્રશ્નકર્તા : હા, આપી છે. (પા. ૩૬૪)દાદાશ્રી : એટલે પરણી જવું સારું. ગમે તેવો નહીં, તમને પસંદ પડે તેની જોડે. લગ્ન હંમેશાં સુખ આપે એવું નક્કી નથી હોતું. લગ્ન દુઃખેય આપે. હજુ સંસારનો મોહ છે ત્યાં સુધી દુઃખ ભોગવવું પડે ને? નહીં તો બ્રહ્મચર્ય જેને પાળવું હોય તેને કશું દુઃખ જ નથી, ભાંજગડ જ નથી ને ! પણ જો નિર્બળતા ઊભી થતી હોય, એના કરતાં ધણી કરી લેવો સારો, નહીં તો એમ કરતાં કરતાં ચાળીસ વર્ષ થઈ જાય અને પછી એકુંય છોકરો મળે નહીં. અત્યારે તમને ત્રીસ-બત્રીસ વર્ષ થયાં છે, તે હજુ બત્રીસ-પાંત્રીસ વર્ષના છોકરા મળી આવે. પ્રશ્નકર્તા : પણ મારે બ્રહ્મચર્ય જ પાળવું હોય તો શું કરવાનું ? દાદાશ્રી : તો પછી મનમાં વિષયનો વિચાર આવે તે વખતે એ વિચારને, અમે સાબુ આપીએ તેનાથી ધોઈ નાખવાના અને કોઈની દ્રષ્ટિ જોડે આપણી દ્રષ્ટિ મિલાવવી નહીં અને દ્રષ્ટિ મિલાવાઈ જાય તો એને ધોઈ નાખવાની. અમે બધો સાબુ આપીએ છીએ એટલે બ્રહ્મચર્ય પાળી શકે, વિચાર તો ઉત્પન્ન થાય. ‘એટ્રેક્શન’ ઉત્પન્ન થાય છે એ કુદરતી છે, પણ ‘એટ્રેક્શન’ થયા પછી સાબુથી ધોઈ નાખે એટલે ‘એટ્રેક્શન’ ફરી ના થાય. આકર્ષણ અમુકનું જ શાને ?પ્રશ્નકર્તા : મનમાં નક્કી કર્યું હોય કે કોઈ છોકરા માટે ખરાબ વિચાર ના કરવા, અને મને ખરાબ વિચાર ના આવે પણ એનું મોઢું દેખાયા કરે, પ્રતિક્રમણ કરું તોય પાછું એ તો એવું દેખાયા કરે છે તો શું કરવું ? દાદાશ્રી : તો દેખાયા કરે તેમાં શું ? આપણે જોયા કરવાનું, પ્રતિક્રમણ કરીને ઉખેડી નાખવાનું બસ ! પ્રશ્નકર્તા : એના તરફ આકર્ષણ થાયને, એ ગમે નહીં એટલે એનું પ્રતિક્રમણ કરે, પણ તોય એ વધારે ને વધારે દેખાયા કરે. દાદાશ્રી : એ દેખાય એટલે પ્રતિક્રમણ થાય અને પ્રતિક્રમણ થાય એટલે પછી છે તે ધીમે ધીમે ઓછું થતું જાય. ગાંઠ મોટી હોય તો એકદમ ઓછું ના થાય. (પા. ૩૬૫)પ્રશ્નકર્તા : આપણને એનું મોઢું દેખાય, ને આપણને એના માટે આડા વિચાર આવે તો એ ખરાબ ના કહેવાય ? દાદાશ્રી : આપણે સ્ટ્રોંગ (દ્રઢ) છીએ પછી આડા વિચાર આવે તેને જુઓ કે આને માટે ખરાબ વિચાર હજુ આવે છે. આપણે સ્ટ્રોંગ છીએ તો કોઈ નામ ના લે. આ તો માલ ભર્યો છે તે આવે છે, નહીં તો ના ભર્યો હોય તો બીજા કોઈ છોકરાનો ના આવે. આ આટલાં બધા છોકરાઓ છે, કંઈ બધાને માટે આવે છે ? જે માલ ભર્યો છે, તે આવે છે. તું ઓળખું કે નહીં, આ ભરેલો માલ ? અમુક જોયા હોય, ને તેની પર દ્રષ્ટિ પડી હોય તો જ આવે. અમે તો બધાંને કહીએ કે પૈણો. પછી તમે ના પૈણો તે તમારી વાત. ના પૈણીને પછી ચારિત્ર બગડે તેના કરતાં પૈણવું સારું. લોકનિંદ્ય થાય એ બધું નકામું. એના કરતાં મેરેજ કરેલાં સારાં, નહીં તો પછી હરૈયા ઢોર જેવું કહેવાય. પ્રશ્નકર્તા : લોકનિંદ્ય થાય એ તો બહારની વાત રહી, પણ પોતાનું બગડે ને ? દાદાશ્રી : એટલે પોતાનું તો બગડે જ, પણ પાછું લોકનિંદ્ય થાય ત્યાં સુધીનું બગાડે. એ કંઈ થોડું ઘણું બગાડે નહીં. લપસ્યો એટલે પછી વાર જ ના લાગે ને ? જો બ્રહ્મચર્ય સચવાય તો ભગવાન થવાનો કીમિયો છે એમાં ! જ્ઞાની બધી કળા દેખાડે, બધા રસ્તા દેખાડે, પણ એ પોતે સ્ટ્રોંગ રહેવો જોઈએ. પ્રશ્નકર્તા : પોતે સ્ટ્રોંગ રહે, પણ પછી આગળ વાંધો ના આવે ? દાદાશ્રી : ના, કશું ના થાય. જ્ઞાની પુરુષની કૃપા જોડે રહે ને ! પોતે સ્ટ્રોંગ રહ્યો તો જ્ઞાની પુરુષની કૃપા રહ્યા કરે, વચનબળ રહ્યા કરે, એટલે બધું કામ થયા કરે. પોતે કાચો પડ્યો એટલે બધું બગડી જાય. ‘શું થશે, હવે શું થશે’ એવું થયું તો બગડ્યું. ‘કશું જ થાય નહીં.’ કહ્યું કે બધું જતું રહે. શંકા પડી એટલે લપસ્યો. (પા. ૩૬૬)અમારી વિધિ તો તમને બહારથી નુકસાન ના થવા દે. પણ જેને જાતે જ બગાડવું હોય તેને શું થાય ? એટલે નિશ્ચય કરી નાખું તો રાગે ચાલે બધું. પ્રશ્નકર્તા : નિશ્ચય એ તો બરોબર છે. પણ કચાશ ક્યાં થાય છે કે આજ્ઞા છે, જ્ઞાન છે પણ પુરુષાર્થમાં કચાશ આવે છે. દાદાશ્રી : એ તો બધું કરી આપીએ અમે. એ બધો સાંધો અમે મેળવી આપીએ. તારી ઈચ્છા હોય તો અમે બધો સાંધો મેળવી આપીએ. આ છોકરાઓને સાંધો મેળવી આપ્યો, તે જરાય વિચાર ના આવે. એવું કરી આપીએ અમે. પણ તારુ નક્કી થઈ જાય પછી અમને કહેવું. જુઓને, પેલી બેન કહેતી’તી, પૈણીને છેવટે ! પ્રશ્નકર્તા : મારે આપ્તપુત્રી થવું છે, પણ આ બધા જે મારા ભાવ પહેલાં થઈ ગયા હોય લગ્ન કરવાનાં, નોકરી કરવાનાં. તે મારે પાછાં પૂરા કરવા પડે કે ધોવાઈ જાય બધાં ? દાદાશ્રી : થઈ ગયા હોય, તેનો વાંધો નહીં. થઈ ગયા હોય, તેનો રસ્તા અમે કરી આપીએ. પણ હવે ના હોવાં જોઈએ અને જોબ કરવામાંય વાંધો નથી. પણ બ્રહ્મચર્ય એકલું જ આપ્તપુત્રી માટે જરૂરી છે. તમે પૈણ્યા નથી એટલે તમને કોઈ પૂછે કે તમારે કેટલાં છોકરાં છે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : શાથી ? કે પૈણ્યા નથી એટલે. મૂળમાં ધણી જ નથી તો બીજ ક્યાંથી નાખવાનાં ? ને બીજ નથી નાખ્યાં તો છોડવો ઊગે જ શી રીતે ? ધણી, ધણી જેવો હોય કે, તે ગમે ત્યાં જાય તોય એક ક્ષણ પણ આપણને ના ભૂલે એવો હોય તો કામનું, પણ એવું કોઈ કાળે બને નહીં. તો પછી આ નંગોડ છાપ ધણીને શું કરવાના ? ખરો ધણી મળે તો એની જોડે એકાંત શૈયાશન આપણે છોડીએ. એની જોડે એકાંત લાગે. કારણ કે એની ચિત્તવૃત્તિઓ આપણી જોડે રહે, તો આપણી ચિત્તવૃત્તિઓ બીજા (પા. ૩૬૭)જોડે વાતો કરતા હોઈએ તોય જ્યાં ધણી હોય ત્યાં જાય. એટલે થઈ ગયુંને એકનું એક ! એકાંત !!! અત્યારે એવું નથી મળતું ને ? તો બીજો બધો માલ તો સડેલો કહેવાય. એવું સડેલું શાક ખાવા કરતાં ના ખાધેલું સારું. આ સડેલું ખાવા જઈએ તો ઊલટીઓ થાય. આ પ્રેમ વગરનો સંસાર છે, ખાલી આસક્તિ જ છે. પહેલાં તો પ્રેમવાળી આસક્તિ હતી, પ્રેમ એટલે લગની લાગેલી હોય. આ તો લગની જ નથી લાગતી ને ? ટિકિટને ગમે તેટલો ગુંદર ચોંટાડીએ તોય ટિકિટ ચોંટતી જ નથી. કાગળ જ એવો છે, તે પછી માણસ કંટાળી જાય ને ! એટલે આ કાળમાં માણસો પ્રેમભૂખ્યા નથી, વિષયભૂખ્યા છે. પ્રેમભૂખ્યો હોય તેને તો વિષય ના મળે તોય ચાલે. એવા પ્રેમભૂખ્યા મળ્યા હોય તો તેનાં દર્શન કરીએ. આ તો વિષયભૂખ્યા છે. વિષયભૂખ્યા એટલે શું કે સંડાસ. આ સંડાસ એ વિષયભૂખ છે. એ નથી જવા મળતું તે ક્યૂ નથી લાગતી ? તે જોયેલી કોઈ જગ્યાએ ક્યૂ ? ક્યાં જોયેલી ? પ્રશ્નકર્તા : અમારે ચાલીમાં તો લાઈનમાં જ ઊભા રહેવું પડે. દાદાશ્રી : તે ચાલીમાંય ક્યૂઓ લાગે છે ! અમે અમદાવાદમાં પહેલાં ક્યૂઓ જોયેલી. તે મારે એક ફેરો ક્યૂમાં જઈને ઊભા રહેવાનું થયું. મેં કહ્યું, ‘મારે આ વખતે સંડાસ નથી જવું.’ એનાં કરતાં બહેતર આપણે એમ ને એમ બેસી રહીશું. આપણે આવું ક્યૂમાં સંડાસ નથી જવું. જ્યાં સંડાસની આવડી બધી કિંમત વધી ગઈ ! કિંમત તો લૉજમાં વધી ગઈ હોય, પણ અહીં સંડાસની પણ કિંમત વધી ગઈ ! ક્યૂમાં ઊભા રહેવાનું મારે થયું ! પેલા ભાઈ કહે કે ‘હમણે થોડીવાર પાંચેક મિનિટ ઊભું રહેવું પડશે.’ મેં કહ્યું, ‘ના, એક મિનિટેય નહીં, ચાલો પાછો આવું છું. બંધકોષ થશે તો પરમ દહાડે ફાકી લઈશું પણ આ ના પોષાય. આ શી રીતે પોષાય ?’ ત્યાં ઊભા રહીને શાની રાહ જુઓ છો ?! આની પણ કિંમત ? મને તો શરમ લાગે. હું તો જમવામાંય ક્યૂ હોય તો ઊભો ના રહું. એના કરતાં તારી રોટલી તારે ઘેર રહેવા દે. થોડા ચણા ફાકી લઈશું. હા, મોક્ષ આપતો હોય તો ચાલોને, આપણે રાત-દહાડો ક્યૂમાં ઊભા રહીએ. એટલે આજના વિષયો સંડાસ સમાન થઈ ગયા છે. જેમ સંડાસ (પા. ૩૬૮)માટે ઊભો રહે છે ને ! તેવું આ વિષયો માટે લાઈનમાં ઊભા રહ્યા છે. સંડાસ થયું કે ભાગ્યો. આને પ્રેમ કહેવાય જ કેમ ? પ્રેમ તો એનું નામ કે વિષય ના મળે તોય રીસ ના ચઢે. આ તો જંગલીપણું કહેવાય. આનાં કરતાં બાવા થઈને મોક્ષે ચાલ્યા જવાનો વિચાર કરવો સારો. આપણે આપણું ગામ સારું ! આપણે ગામ સ્વતંત્ર તો રહી શકીએ. એવું તે કંઈ ફાવતું હશે ? અમદાવાદના શેઠિયા મેં જોયેલા. ઑફિસમાં આમ બધા જે’ જે’ કરતા હોય અને એને ઘેર ક્યૂમાં ઊભા રહ્યા હોય, આ તો સ્વમાન જેવું ના રહ્યું ને ? આ તો સામાન્ય જનતા કહેવાય. અમારે તો કુદરતી રીતે જ ક્યૂ ભેગી નહીં થયેલી. ક્યૂ આપણને કંઈ શોભે?! મહીં ત્રિલોકનો નાથ છે ત્યાં !!! જો કદી લગનીવાળો પ્રેમ હોય તો સંસાર છે, નહીં તો પછી વિષય એ તો સંડાસ છે. એ પછી કુદરતી હાજતમાં ગયું. એને હાજતમંદ કહે છે ને ? જેમ સીતા ને રામચંદ્રજી પૈણેલા જ હતાં ને ? સીતાને લઈ ગયા તોય રામનું ચિત્ત સીતામાં ને સીતામાં જ હતું ને સીતાનું ચિત્ત ત્યાં રામમાં હતું. વિષય તો ચૌદ વર્ષ જોયો પણ નહોતો, છતાં ચિત્ત એમનામાં હતું. એનું નામ લગ્ન કહેવાય. બાકી, આ તો હાજતમંદો કહેવાય. કુદરતી હાજત ! પૈણ્યા એટલે જાણવું કે એક જાજરું આવી ગયું આપણી પાસે ! આ લગ્ન એ તો બધું સંડાસ છે. સ્ત્રીએ એક જ વખત પરપુરુષ જોડે દોષ કર્યો હોય તો તેણે પાંચસો-હજાર અવતાર સ્ત્રી થવું પડે. વિષયમાં લપસ્યા એટલે નર્કની વેદના ભોગવવી પડે. માટે દ્રષ્ટિ માંડવી જ નહીં. બીજા દોષ ચલાવી લેવાય, પણ આ અત્યંત દુઃખદાયી છે. નર્કમાં પડ્યા જેવું દુઃખ લાગે. અરે, આનાં કરતાં નર્કમાં પડવું સારું. એની મેળે લગ્ન સામું આવે તો તે ઘડીએ પૈણવું. જગતનાં લોકો નિંદ્ય ગણે એનાં તો ભયંકર દુઃખો પડે, એ હોવું ના જોઈએ. માટે પ્રતિક્રમણ તરત કરી લેવું જોઈએ. પણ જો શક્તિ હોય તો સંયમ લો ને શક્તિ ના હોય તો પૈણજો. પૈણ્યાનો કંઈ દોષ નથી. બાકી વિષયના જેવો માર જ જગતમાં બીજો કોઈ નથી. (પા. ૩૬૯)વિષયનો વિચાર આવ્યો કે ત્યાંથી વેદના ઉત્પન્ન થઈ, બળતરા ઊભી થયા કરે. વિષય જીત્યો એટલે બધું જીત્યું. એટલે ધણી હોય તો ભાંજગડ ને ? પણ જો બ્રહ્મચર્ય વ્રત લીધું હોય, તો આ વિષયસંબંધી ભાંજગડ જ નહીં ને ! અને આવું જ્ઞાન હોય તો તે કામ કાઢી નાખે ! પણ સ્ત્રીને સ્ત્રી-જાતિનો જબરજસ્ત અવરોધ, એટલે શ્રેણી બહુ ઊંચે ચઢે પણ સ્ત્રી-જાતિ એટલે અટકી જાય ને ! એટલે સ્ત્રી-જાતિ કેટલી બધી બાધક છે ! સ્ત્રી-જાતિને બાધકતા ઉત્પન્ન થાય, તે ક્યારે એનું લેવલ ખસી જાય, તે કહેવાય નહીં. જ્યારે પુરુષને તો પોતે ‘એક્ઝેક્ટનેસ’માં આવી ગયેલો હોય, એ પછી ખસે નહીં એની ગેરેન્ટી ! તને સારું રહે છે ? પ્રશ્નકર્તા : આમ સારું છે, પણ દાદા સ્ત્રી-પ્રકૃતિ તો ખરી ને ! ઉપર નહીં આવવા દે એવું થાય. દાદાશ્રી : પણ એ તો બહુ જો પ્રતિક્રમણ કરશે ને સ્ટ્રોંગ રહે તો કશું ન થાય. સ્ટ્રોંગ રહેવું જોઈએ. એક ફેરો લપસ્યા પછી માર ખઈ-ખઈને મરી જાય. એક જ વખત લપસ્યા તો ખલાસ થઈ ગયું. એટલે વિષય એ ભોગવવાની ચીજ જ ન્હોય એવું માની લેને તો ચાલે ! ભોગવવાની ઘણી ચીજો છે બહાર. આ તો નર્યો એંઠવાડો ગંદવાડો બધો. આંખને ગમે નહીં, કાનને ગમે નહીં, જીભને ગમે નહીં. પેલું વાંચું છું ? પ્રશ્નકર્તા : વાંચન નથી થતું ખાસ. દાદાશ્રી : એ તો વાંચવાથી બધી પ્રકૃતિ છૂટી થઈ જાય નહીં તો પછી લગ્ન કરવું સારું. તારે તો ચાલે એવું છે ને ? પ્રશ્નકર્તા : પ્રકૃતિ ટેન્શનવાળી ખરીને એટલે જ્ઞાનનું પરિણામ જોઈએ એવું નથી આવતું. દાદાશ્રી : એ તો જ્ઞાનનું પરિણામ સત્સંગ હોય ને તો જ આવે. (પા. ૩૭૦)એ તો સત્સંગ નહીં એટલે. એ તો આપણે ત્યાં આગળ બંધાશે તો આ બધાની જોડે રહેવાથી વિચાર જ ના ઊભા થાય અને આનંદ થાય ઊલટો. તે આ બંધાશે ત્યાં આગળ બ્રહ્મચારીણીઓ રહેશે, નહીં તો પછી લગ્ન કરવાનું કહી દેવું. સારા સત્સંગમાં આવે તોય ટેન્શનવાળી પ્રકૃતિ કાયમ હોતી નથી, એ તો બધું વળી જાય. એ તો કુસંગમાં પેસી જાય તો જ નડે બધું. એ પણ આ વિષય ગમતો જ ના હોય તો આ છૂટકારો થાય. છતાં કોઈની ઉપર દ્રષ્ટિ ખેંચાય પ્રતિક્રમણથી ઉડી જાય. પણ અંદરખાને વિષય ગમતો હોય તો પૈણવું સારું. પ્રશ્નકર્તા : પોતાનું હિતનું ના વિચારે. દાદાશ્રી : હિત તો હોય જ નહીંને, ભાન જ ના હોય. ગલીપચીમાં જે માણસ ભેરવાઈ જાય, એનું તો હિતનું જ ઠેકાણું ના હોય ને ! પ્રશ્નકર્તા : એ વખતે પોતે નિશ્ચય કરેલો એ ક્યાં જતો રહે ? દાદાશ્રી : જેવો પોતે થઈ જાય એવો થઈ જાય નિશ્ચય. પોતે કાચો થઈ જાય, તો થઈ ગયો અનિશ્ચય. પ્રશ્નકર્તા : પણ આ બાજુનો નિશ્ચય કરતાં આટલી બધી વાર લાગે અને પેલો નિશ્ચય તરત જ ફરી જાય એવું કેમ ? દાદાશ્રી : ના, અહીં વાર લાગે જ નહીં. અહીંયા એ વાર લગાડ્યા સિવાયનું જ છે. પ્રશ્નકર્તા : અહીંયાએ વાર લગાડ્યા સિવાય ? દાદાશ્રી : હા. એ તાત્કાલિક એવું તાત્કાલિક આ. અહીં વાર લગાડેલું હોય તો એનો નિશ્ચય ફરે જ નહીં ને ! ના ફરે કોઈ દહાડો, મારી નાખે તોય ના ફરે. પ્રશ્નકર્તા : અમારે બધાને આ બરાબર સમજપૂર્વકનો નિશ્ચય સ્ટ્રોંગ કરવો હોય, તો સમજ તો પૂરેપૂરી તો અમે લાવ્યા જ નથી ને ! તો પછી એ સ્ટ્રોંગનેસ કેવી રીતે આવે ? (પા. ૩૭૧)દાદાશ્રી : તારો ધ્યેય હોય તો બધું આવે. પ્રશ્નકર્તા : એટલે જેને સ્ટ્રોંગ કરવો છે, એનો થશે જ ? દાદાશ્રી : ના. ધ્યેય નક્કી કર્યો હોય ને તો સ્ટ્રોંગ રહે તો પછી થઈ જાય. આ ધ્યેય નથી એને ધ્યેય નથી કશોય. પ્રશ્નકર્તા : આપે દાદા એકવાર કીધેલું કે નિશ્ચય મજબૂત કરવો હોય તો નિશ્ચયની વિરુદ્ધનો એક પણ વિચાર આવવો ના જોઈએ. દાદાશ્રી : હા. અને એ ધ્યેયને કંઈ પણ નુકસાન કરતું આવે તો એને ખસેડી નાખવું. આવી ‘સમજ’ કોણ પાડે ?આ બહેનનો તો નિશ્ચય છે કે ‘એક અવતારમાં જ મોક્ષે જવું છે. હવે અહીં પોષાય નહીં, એટલે એક જ અવતારી થવું છે.’ તો પછી એમને બધાં સાધનો મળી આવ્યાં, બ્રહ્મચર્યની આજ્ઞા પણ મળી ગઈ ! પ્રશ્નકર્તા : અમે પણ એક જ અવતારી થશું ? દાદાશ્રી : તારે હજુ વાર લાગશે. હમણાં તો થોડું અમારા કહ્યા પ્રમાણે ચાલવા દે. એક અવતારી તો આજ્ઞામાં આવ્યા પછી, આ જ્ઞાનમાં આવ્યા પછી કામ થાય. આજ્ઞા વગરેય આમ તો મોક્ષ બે-ચાર અવતારમાં થવાનો છે, પણ પહેલું આજ્ઞામાં આવે ત્યારે એક અવતારી થઈ જાય ! આ જ્ઞાનમાં આવ્યા પછી અમારી આજ્ઞામાં આવવું પડે. હજુ કંઈ તમને બધાંને એવી બ્રહ્મચર્યની આજ્ઞા અપાઈ નથી ને ? એ અમે જલ્દી આપતાંય નથી. કારણ કે બધાને પાળતાં આવડે નહીં, ફાવે નહીં. એ તો મન બહુ મજબૂત જોઈએ. આજે સત્સંગમાં સાડી પહેરી છે, તે કેવું ડહાપણવાળું દેખાય છે. કાલે લગનમાં જવાની હતી ત્યારે સાડી પહેરેલી, તે કોઈ જુએ તો કહેત કે અફલાતૂન દેખાય છે. આવું લોકોને આશ્ચર્ય લાગે એવું ના પહેરીએ. સાદું પહેરીએ, એની કિંમત કહેવાય. પેલું તો મોહી કહેવાય. સાદું ને પદ્ધતિસરનું જેને કહેવાય, તેવું પહેરીએ. હુંય નવાં કપડાં પહેરું છું ને ? પણ તે પદ્ધતિસરનું કહેવાય. પેલાં કપડાં તો પહેરેલાં હોય તો લોક જાણે (પા. ૩૭૨)કે આ મૂર્છિત છે. તું આવાં કપડાં પહેરું તો લોક જાણે કે આ સત્સંગમાં ગઈ જ નહીં હોય, માટે સિમ્પલ સાડી સારી. સાડીના આધારે દેહ કે દેહના આધારે સાડી ? સિમ્પલ સાડી જ પ્રભાવશાળી કહેવાય. છોકરાંઓ પણ અફલાતૂન કપડાં પહેરે છે ને ? તમારે મોક્ષે જવું છે કે આમ લાલ-પીળી સાડીઓ પહેરવી છે, તે ફરી સંસારમાં પેસવું છે ? આ લાલ, પીળી, વાદળી સાડી આપણને ના હોય, એ તો બધી મોહવાળી ચીજ કહેવાય. જ્યારે ત્યારે તો મોહ છોડવો જ પડશે ને ?! કંઈ સાડી એકલીને છોડી દેવાની છે ? જ્યારે ત્યારે દેહનેય છોડવો જ પડશે ને ? એટલે આમાં સાચું સુખ જ નથી. આ તો બધું કલ્પિત સુખ કહેવાય. વિષયોમાંય કલ્પિત સુખ છે અને બીજી વસ્તુઓમાંય કલ્પિત સુખ છે. સાચું સુખ આત્મામાં છે. સનાતન સુખ, એ ક્યારેય જાય નહીં. આ અમારે ક્યારે સુખ જતું જ નથી ને ! જો તારે બ્રહ્મચર્ય પાળવું હોય તો આટલું ચેતવાનું કે પરપુરુષનો વિચાર પણ ના આવવો જોઈએ. ને વિચાર આવ્યો ત્યાંથી ધોઈ નાખવું જોઈએ. પ્રશ્નકર્તા : આપે કહેલું મિશ્રચેતનથી ચેતજે. દાદાશ્રી : બસ, એ મિશ્રચેતનથી જે ચેત્યો, એનું કલ્યાણ થઈ ગયું ! એક શુદ્ધચેતન છે અને એક મિશ્રચેતન છે. તે મિશ્રચેતનમાં જો સપડાયો તો આત્મા પ્રાપ્ત કર્યો હોય, તો પણ એને રખડાવી મારે. એટલે આમાં વિકારી સંબંધ થયો તો રઝળપાટ થાય. કારણ કે આપણે મોક્ષે જવું છે અને એ ભાઈ છે, તે જાનવરમાં જવાનાં હોય તો આપણને ત્યાં ખેંચી જાય. સંબંધ થયો એટલે ત્યાં જવું પડે. માટે વિકારી સંબંધ ઊભો જ ના થાય એટલું જ જોવાનું. મનથીય બગડેલા ના હોય ત્યારે ચારિત્ર કહેવાય. ત્યારે પછી આ બધા તૈયાર થઈ જાય. મન બગડેલાં એ તો પછી ફ્રેકચર થઈ જાય, નહીં તો એક-એક છોકરીમાં કેટલી કેટલી શક્તિ હોય ! એ કંઈ જેવી તેવી શક્તિ હોય ? આ તો હિન્દુસ્તાનની બહેનો હોય અને વીતરાગનું વિજ્ઞાન પાસે હોય, પછી શું બાકી રહે ? ચારિત્ર સંબંધી વાતચીત મા-બાપ પોતાની છોકરીને શી રીતે કરી શકે ? તો એ કોણ વાતચીત કરી શકે ? એક ‘જ્ઞાની પુરુષ’ એકલાં જ (પા. ૩૭૩)વાતચીત કરી શકે. કારણ કે જ્ઞાની કોઈ લિંગમાં ના હોય. એ પુરુષ લિંગમાં ના હોય, સ્ત્રી લિંગમાં ના હોય કે નપુંસક લિંગમાં ના હોય. એ તો આઉટ ઑફ લિંગ હોય. જમાનો બહુ વિચિત્ર આવ્યો છે, લપસણો કાળ છે, છોકરીઓને કોઈ જ્ઞાન છે નહીં, આગળનું માર્ગદર્શન નથી. આ છોકરીઓને કેટલી બધી મુશ્કેલીઓ છે ! એટલે આ માર્ગદર્શન આપું છું. તેથી આ જ્ઞાન નીકળ્યું. મારી ઘણાં વખતથી ઇચ્છા હતી કે આવું જ્ઞાન નીકળે, પણ તેનો ટાઈમ બાઝવો જોઈએ ને ? આ જ્ઞાન આટલાંને તો મળ્યું. બધાંનેય જરૂર તો ખરી ને ? આ જ્ઞાનની તો બધાંને જરૂર હોય ! આ તો બ્રહ્મચર્ય વ્રત પાળવું છે, એ કંઈ નાનાં છોકરાંના ખેલ નથી ! વિષય વિચાર જ ના આવવો જોઈએ અને આવે તો તેને તરત પ્રતિક્રમણ કરી ધોઈ નાખવાનું. વિચાર તો આવે જ. આ કળિયુગમાં તો નર્યા એવા વિચારો આવે જ ! પણ એને ધોઈ નાખવાના. પ્રશ્નકર્તા : વિષયમાં આનંદનું આપણે આરોપણ કરેલું છે, એટલે એ આવે છે, પણ આપણને બ્રહ્મના આનંદની અનુભૂતિ થાય તો પેલો આનંદ ઓટોમેટિક છૂટી જાય. દાદાશ્રી : હા, કારણ કે જલેબી ખાધા પછી ચા પીવો, તો એની મેળે જ ન્યાય થઈ જશે ને ! એમ આત્માનો આનંદ ચાખ્યા પછી વિષયો એની મેળે જ મોળા પડી જાય. આ છોકરીઓને મોળું જ પડી ગયું ને ! ત્યારે જ તો રાગે આવ્યું ને ! આ છોકરીઓને બ્રહ્મનો આનંદ ઉત્પન્ન થયો અને આરોપિત આનંદ ફ્રેકચર થઈ ગયો ! તેથી જ પોતાના દોષ ઉપર રડવું આવ્યું ને ? અને છોકરીઓ તો અહીં આવીને મને કહે કે બહુ જ શક્તિ વધી ગઈ, જબરજસ્ત શક્તિ વધી ગઈ !!! પોતાનું સુખ પોતાની પાસે છે, એવું લોક સમજ્યા જ નથી ને ? અને સુખ બહાર ખોળવા જાય છે. પ્રશ્નકર્તા : પણ સુખને કોઈ ને કોઈ આધાર છે જ, મનનો, વચનનો... દાદાશ્રી : પરાવલંબી સુખને સુખ કહેવાય જ કેમ કરીને ? (પા. ૩૭૪)પ્રશ્નકર્તા : એકલી બહેનોની શિબિર કરાવો. દાદાશ્રી : તો તો બહુ પ્રભાવ પડી જાય. એ જ્યારે સાચું બ્રહ્મચર્ય પાળશે, એ લાઈટ જુદી જાતનું હોય. આ તો જન્મ્યા ને મરી ગયા અહીંયા આગળ, જાનવરની પેઠ એ શું કામનું ? બેનો સાંભળો છો કે, મારી વાત કડવી લાગે તોય મહીં ઉતારજો. ભલે કડવી લાગે, પણ છેવટે મીઠી નીકળશે. મીઠી નીકળે કે ના નીકળે ? પ્રશ્નકર્તા : નીકળે. દાદાશ્રી : અત્યારે તો કડવી લાગે. મેં કહ્યું છે આ એકલી જ સેફસાઈડ, બીજી બધી ફસામણ છે. કલ્યાણ કરવાનું કે કલ્યાણ સ્વરૂપ થવાનું ?પ્રશ્નકર્તા : આ દીક્ષા લેનારી બહેનો છે, એમને ધર્મનું રહસ્ય એવું કંઈક સમજાવો કે જેથી ફરીને એમનું કલ્યાણ થાય અને સમાજને, લોકોને પણ ફાયદો થાય. દાદાશ્રી : કલ્યાણ કરવામાં એક જ વસ્તુ છે કે જે પોતાનું કલ્યાણ કરે છે તે બીજાનું કલ્યાણ વગર બોલ્યે કરી શકે છે ! એટલે કરવાનું કેટલું છે ? ‘જ્ઞાની પુરુષ’ની પાસે પોતાનું કલ્યાણ કરી લેવાનું છે. પછી પોતે કલ્યાણસ્વરૂપ થયો એટલે વગર બોલ્યે લોકોનું કલ્યાણ થાય છે અને જે લોકો બોલ બોલ કરે છે એમાં કશું વળતું નથી. ખાલી ભાષણો કરવાથી, બોલ બોલ કરવાથી કશું વળતું નથી. બોલવાથી તો બુદ્ધિ ઈમોશનલ થાય છે. એમ ને એમ જ એમનું ચારિત્ર જોવાથી, એ મૂર્તિ જોવાથી જ બધા ભાવ શમી જાય છે. માટે એમણે તો ફક્ત પોતે જ તે રૂપ થઈ જવા જેવું છે. ‘જ્ઞાની પુરુષ’ની પાસે રહી તે રૂપ થવું. આવી પાંચ જ છોકરીઓ તૈયાર થાય તો કેટલાંય લોકોનું તે કલ્યાણ કરે ! સાવ નિર્મળ થવું જોઈએ અને ‘જ્ઞાની પુરુષ’ની પાસે નિર્મળ થઈ શકે અને નિર્મળ થવાનાં છે. |