આમ પુરુષાર્થ, જ્ઞાતા-દ્રષ્ટાપદનો ! સંપાદકીય અક્રમ વિજ્ઞાનની બલિહારી છે કે પોતે અનાદિના જીવનકાળ દરમ્યાન અજ્ઞાનતામાં હતો ને બે જ કલાકમાં નિજ સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ થઈ આત્મદ્રષ્ટિ બને છે. દ્રષ્ટિ તો બદલાઈ ગઈ, પણ પોતાનું સ્વરૂપ માત્ર અનુભવ ટચ થઈને લક્ષ બેસી અને પ્રતીતિરૂપે ટકે છે. હવે દ્રષ્ટિ બદલાયા બાદ, દ્રષ્ટિ દ્રષ્ટામાં સ્થિર થયા બાદ, નિરંતર તેમાં જ મુકામ થવા માટે પૂજ્યશ્રી દાદાશ્રીએ ખૂબ જ ઝીણવટ ફોડ આપ્યા છે. જેમ મેનેજર બનાવ્યા પછી એની પોતાની ફરજો શું ? કેવી રીતે ઓફિસમાં રહેવું, તેની સમજણ ના હોય તો શું થાય ? પોતે શુધ્ધાત્માપદને પ્રાપ્ત થયો, પણ શુધ્ધાત્મા એટલે પોતાનાં ગુણધર્મો શું ? કેવી રીતે એમાં રહેવું ? તેની સાદી ને સરળ ભાષામાં સમજણ અત્રે પ્રશ્નોત્તરી રૂપે સંકલિત થઈ છે. તે સમજણ પકડીએ તો જ 'આમ પુરુષાર્થ, જ્ઞાતા-દ્રષ્ટાપદનો !' માંડતો થાય અને બીજમાંથી આગળ વધીને પૂનમ તરફની જ્ઞાનદશાની શ્રેણીઓ ચઢે ! નિરંતર જ્ઞાતા-દ્રષ્ટા પદમાં જ્ઞાનીઓ, તીર્થંકરો કઈ રીતે રહેતાં હશે, તેનું યથાર્થ દર્શન તો વર્તમાન જ્ઞાનીને જ હોય ! 'કરનારો' ને 'જાણનારો' એ બન્નેનું એક્ઝેક્ટ ડિમાર્કેશન અત્રે પ્રસ્તુત સંકલનામાં સરળતાથી સાંપડે છે. જ્ઞાયક સ્વભાવમાં આવ્યા બાદ જગત જ્ઞેય સ્વરૂપે નિરંતર દેખાય એવી સ્થિતિની પ્રાપ્તિ અક્રમ જ્ઞાન થકી થઈ શકે છે !! જેનું જીવંત ઉદાહરણ પૂજ્ય દાદાશ્રી સ્વયં બની અનેકોને તે રૂપ બનાવ્યા છે જે હકીકત છે ! - જય સચ્ચિદાનંદ નાખ દ્રષ્ટિ દ્રષ્ટામાં... પ્રશ્નકર્તા : કેમ કરીને આત્મસ્વભાવને પામીએ એ જ આરાધના માંગીએ છીએ. દાદાશ્રી : સ્વભાવને પામવું, એનું નામ જ સમ્યક્દર્શન. એક ફેરો સમકિત પામ્યા એટલે દ્રષ્ટિ ફરી જાય. 'જગતની વિનાશી ચીજોમાં સુખ છે' એવાં ભાવો જે દેખાડે છે એ મિથ્યાદ્રષ્ટિ છે. દ્રષ્ટિ 'આમ' ફરી જાય એટલે આત્માના જ સ્વભાવ દેખાયા કરે, એ સ્વભાવ-દ્રષ્ટિ કહેવાય. સ્વભાવદ્રષ્ટિ અવિનાશી પદને જ દેખાડ્યા કરે ! દ્રષ્ટિફેરથી આ જગત ઊભું રહ્યું છે. 'જ્ઞાની પુરુષ' સિવાય દ્રષ્ટિ કોઈ બદલી શકે નહીં. 'જ્ઞાની પુરુષ' દિવ્યચક્ષુ આપે, પ્રજ્ઞા જાગૃત કરી આપે ત્યારે દ્રષ્ટિ બદલાઈ જાય. આપણો આત્મા તો દેખાય, પણ બીજાના પણ આત્મા દેખાય, 'આત્મવત્ સર્વ ભૂતેષુ' થઈ જાય ! પ્રશ્નકર્ર્તા : દ્રષ્ટિ, દ્રશ્ય ને દ્રષ્ટા સમજાવો. દાદાશ્રી : દ્રશ્ય અને દ્રષ્ટા, બે જુદાં જ હોય હંમેશાં. દ્રશ્ય કંઈ દ્રષ્ટાને ચોંટી પડતું નથી. આપણે હોળી જોઈએ તેથી કંઈ આંખ દાઝે છે ? જગતમાં શું શું છે ? દ્રશ્ય અને જ્ઞેય, તેમ જ દ્રષ્ટા અને જ્ઞાતા ! આ પાંચ ઈન્દ્રિયોથી જે કંઈ દેખાય છે એ બધાં જ્ઞેય છે, દ્રશ્ય છે; પણ એમાં દ્રષ્ટા કોણ છે ? જે દિશામાં તમારું મુખારવિંદ હોય તે બાજુનું (બાહ્ય) દર્શન હોય, એટલે બીજી બાજુ (આત્મા તરફ) ના દેખાય. જે દિશામાં દ્રષ્ટિ હોય તે દિશામાં જ જ્ઞાન, દર્શન, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું પ્રવૃત્ત થયેલું હોય. જે બાજુ દ્રષ્ટિ છે તે બાજુનું જ્ઞાન જ પ્રવર્તનમાં આવી જાય. એને દર્શન, જ્ઞાન ને ચારિત્ર્ય કહ્યું. હવે જે દેહદ્રષ્ટિ, મનોદ્રષ્ટિ, સંસારદ્રષ્ટિ હતી, તેને કોઈ આત્માની તરફ ફેરવી આપે એટલે આત્મદ્રષ્ટિ ઉત્પન્ન થાય. અને પછી તે બાજુનું દર્શન શરૂ થઈ જાય, પછી જ્ઞાન શરૂ થાય અને છેવટે ચારિત્ર્ય શરૂ થઈ જાય. 'જ્ઞાની પુરુષ' એટલું જ કરે કે જે દ્રષ્ટિ જ્યાં ને ત્યાં બહાર પડી રહી હતી, તે દ્રષ્ટિને દ્રષ્ટામાં નાખી આપે. એટલે દ્રષ્ટિ મૂળ જગ્યાએ 'ફીટ' થઈ કહેવાય, ત્યારે જ મુક્તિ થાય. અને જે અમુક હદનાં જ દ્રશ્યોને જોઈ શકતો હતો, તે બધાં જ દ્રશ્યોને 'ફૂલ' જોઈ, જાણી શકે. 'જ્ઞાની પુરુષ' દ્રષ્ટિને દ્રષ્ટામાં નાખી આપે એટલે 'પોતાને' ખાતરી થાય કે 'હું શુધ્ધાત્મા છું.' દ્રષ્ટિ પણ એમ બોલે કે 'હું શુધ્ધાત્મા છું.' બન્નેને હવે જુદાઈ ના રહી, ઐક્યભાવ થઈ ગયો. પહેલાં દ્રષ્ટિ શુધ્ધાત્માને, પોતાના સ્વરૂપને ખોળતી હતી. પણ જડતું નહોતું. હવે એ દ્રષ્ટિ સ્વભાવ સન્મુખ થઈ એટલે નિરાકુળતા ઉત્પન્ન થાય. નહીં તો ત્યાં સુધી આકુળ-વ્યાકુળ રહ્યા કરે. દેહદ્રષ્ટિ, મનોદ્રષ્ટિથી સંસાર મળે ને આત્મદ્રષ્ટિથી મોક્ષ મળે. આત્મદ્રષ્ટિ આગળ બધા જ માર્ગો એક થાય છે, ત્યાંથી આગળનો રસ્તો એક જ છે. આત્મદ્રષ્ટિ એ મોક્ષ માટેનો પ્રથમ દરવાજો છે. સહજ એટલે અપ્રયત્નદશા ! પ્રશ્નકર્તા : મોક્ષ પણ સહજ રીતે આવતો હોય તો, માણસે તેના માટે પ્રયત્ન કરવાની શી જરૂર ? દાદાશ્રી : પ્રયત્ન કોઈ કરતો જ નથી. આ તો ખાલી અહંકાર કરે છે કે મેં પ્રયત્ન કર્યો ! પ્રશ્નકર્તા : આ હું અહીં આવ્યો, તે પ્રયત્ન કરીને આવ્યોને ? દાદાશ્રી : એ તો તમે એવું માનો છો કે હું આ પ્રયત્ન કરી રહ્યો છું. તમે સહજ રીતે જ અહીં આવ્યા છો, હું તે જાણું છું ને તમે તે જાણતાં નથી. તમારું 'ઈગોઈઝમ' તમને દેખાડે છે કે 'હું હતો તો થયું.' ખરી રીતે બધી ક્રિયાઓ સ્વાભાવિક રીતે થઈ રહી હોય છે. પ્રશ્નકર્તા : તો પછી કરવા જેવું કશું રહેતું નથી, એમ ? દાદાશ્રી : કરવા જેવું ય કશું રહેતું નથી ને ના કરવા જેવું ય કશું રહેતું નથી. જગત જાણવા જેવું છે. પ્રશ્નકર્તા : જાણવું કઈ રીતે ? દાદાશ્રી : આ શું બને છે એ 'જોયા' કરવાનું ને 'જાણ્યા' કરવાનું. કર્તાપદ : જ્ઞાતાપદ જેને અહંકાર ને મમતા છે, જેને 'હું કરું છું' એવું ભાન છે, તે બધા જીવ કહેવાય. અને જો 'હું કર્તા નથી, જ્ઞાતા-દ્રષ્ટા પરમાનંદ સ્વરૂપ છું' એવું ભાન થઈ ગયું તો તે આત્મા છે. કર્તાપદ ઊભું થયું એ જ ભ્રાંતિ છે. 'કર્તા કોણ છે' એટલું જાણ્યું તો જ્ઞાતા-દ્રષ્ટા પદ ઊભું થાય. ફેર સાક્ષીભાવ ને જ્ઞાતા-દ્રષ્ટામાં ! ઘણાં બોલે છે કે 'અમે જ્ઞાતા-દ્રષ્ટા છીએ' અલ્યા, શાનો જ્ઞાતા-દ્રષ્ટા ? તું તો હજી ચંદુભાઈ છે ને ! આત્મા થયા પછી, આત્માનું લક્ષ બેઠાં પછી જ્ઞાતા-દ્રષ્ટાપદ શરૂ થાય. સાક્ષીભાવ અને જ્ઞાતા-દ્રષ્ટા(ભાવ)માં બહુ ફેર છે. સાક્ષીભાવ કોઈ સંતપુરુષને હોય, તે પછી તેમને આગળ વધવા પ્રયત્ન કરવો પડે. સાક્ષીભાવ હોય છતાં ભ્રાંતિ ગયેલી ના હોય. અને છેલ્લું પદ તો જ્ઞાતા-દ્રષ્ટા ભાવમાં છે. 'જ્ઞાતા' જ 'જ્ઞેય' ઠર્યો !! અનાદિથી લોકોને ધર્મ શામાં વર્તે છે ? જ્ઞેયને જ્ઞાતા માની ધર્મ કરે છે. 'આચાર્ય' એ 'જ્ઞેય' છે અને 'પોતે' 'જ્ઞાતા' છે, પણ ભ્રાંતિથી જ્ઞેયને જ પોતે માને છે. 'આચાર્ય'ને 'પોતે જ છે' એમ માને છે. 'આ વ્યાખ્યાન મેં આપ્યું, શાસ્ત્રો મેં વાંચ્યાં, તપ મેં જ કર્યું, ત્યાગ મેં કર્યો.' પણ કરનાર જાણતો નથી ને જાણનાર કરતો નથી. કરનારને ને જાણનારને કોઇ દહાડો મેળાપ હતો નહીં, છે નહીં ને થશે નહીં. આ તો કહેશે, 'હું જ આચાર્ય ને મેં જ વ્યાખ્યાન આપ્યું'. અમે તો સમજી ગયા કે તમે કયા સ્ટેશને બેઠા છો ! માટુંગા સ્ટેશને બેસી રહ્યા છો ને કહે છે કે આગલું સ્ટેશન જ કલકત્તા છે. ના, એ તો આગલું સ્ટેશન માહીમની ખાડીનું આવ્યું! અનંત અવતાર ભટકીશ તો ય કલકત્તા નહીં આવે ! જ્ઞાતા એ જ્ઞાતા અને જ્ઞેય એ જ્ઞેય. 'ચંદુભાઇ' એ જ્ઞેય છે. 'આનો ભાઇ' એ જ્ઞેય, 'આ ધંધાનો માલિક છે' એ જ્ઞેય છે. 'આ મકાનનો માલિક છે' એ જ્ઞેય છે ને 'આપણે' જ્ઞાતા છીએ. આપણે જ્ઞાતા ને એ જ્ઞેય એમ જોયા કરીએ તો પછી સમાધિ રહ્યા કરે. 'આપણો' ધર્મ શું ? 'શું બન્યું' એ જાણવાનું અને જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદી ! ધર્મ કોને કહેવાય ? સોનું સોનાના ધર્મમાં હોય તેને. સોનું પિત્તળના ધર્મમાં હોય તે સ્વધર્મ ના કહેવાય, એ પરધર્મ કહેવાય. આ તો 'ચંદુલાલ' થઇને બેઠો છે, તે દેહના ધર્મને પોતાનો માને છે, અંતઃકરણના ધર્મને પોતાનો ધર્મ માને છે. તે પરધર્મ છે. પરધર્મથી ક્યારે ય પણ મોક્ષ ના થાય, સ્વધર્મથી મોક્ષ છે. સોનું ગમે ત્યારે એના ધર્મમાં જ છે. પણ આ તો 'ચંદુલાલ'નો આરોપ કરે છે, એટલું જ નહીં, સાથે પાછો કહે છે કે 'આનો સસરો, આનો દીકરો, આનો બાપ છું', 'આનો વકીલ છું' કોર્ટમાં જાય ત્યારે, દુકાને હોય તો 'હું શેઠ છું.' આનું જ નામ ભ્રાંતિ. 'પોતે શુધ્ધાત્મા જ છે.' પણ આવા આરોપથી સમજાતું નથી. ક્રિયા કરનારો કોણ ? આ લોકો કહે છે કે ક્રિયા કરો. પણ જ્ઞાન વગર ક્રિયા કેવી ? ક્રિયા તો જ્ઞાનની દાસી છે. ભગવાને કહ્યું કે જ્ઞાનક્રિયા કરો. 'જ્ઞાન ક્રિયાભ્યામ્ મોક્ષ.' 'જ્ઞાનક્રિયા' એટલે શું ? પોતાના સ્વરૂપમાં જ રહેવું ને જાણવું. દર્શન ક્રિયામાં જોવું. જોવું અને જાણવું, એ જ આત્માની ક્રિયા છે. જ્યારે આત્મા સિવાય બીજા કોઈ પણ તત્ત્વમાં જ્ઞાન-દર્શન ક્રિયા ના હોય. બીજી બધી જ ક્રિયા હોય ! આત્મા દેહથી જુદો જ હશે ને ? પ્રશ્નકર્તા : જુદો જ છે. દાદાશ્રી : તો આ દેહ તું ચલાવે છે કે કોઈની મદદથી ચાલે છે ? આ તો 'વ્યવસ્થિત' શક્તિની મદદથી બધું ચાલે છે તે 'વ્યવસ્થિત' શક્તિ કરે છે. એમાં આત્મા કશું જ કરતો નથી. તે તો માત્ર જુએ છે ને જાણે છે. જુદો જાણનાર તે કરનાર ! જે જાણે તે કરે નહીં ને જે કરે તે જાણે નહીં. કરનાર હોય ત્યાં જાણનાર ના હોય ને જાણનાર હોય ત્યાં કરનાર ના હોય. આ એન્જિનને પૂછે તો તે કહે કે ના, બા હું કશું જાણું નહીં. આ ઈલેક્ટ્રિક બલ્બ 'લાઈટ' આપે પણ તે જાણે નહીં. આ દરિયામાંથી કિનારે લોંચ તમને લાવી કે તમે લોંચ લાવ્યા ? લોંચ લાવી. કરનાર એ પણ તે જાણે નહીં. જે કરે તે જાણે નહીં ને જે જાણે તે કરે નહીં. કારણ કે કર્તાપણામાં એવીડન્સ જોઈએ. જ્યારે જ્ઞાતાપણાંને એવીડન્સની જરૂર ના હોય. કંઈ પણ કરવું પડે તેને સંયોગી પુરાવો જોઈએ. એમ ને એમ ના હોય. જુદાં ગુણો બન્નેનાં.... દ્રશ્ય અને દ્રષ્ટા, બેઉ જુદાં જ હોય હંમેશાં. દ્રશ્ય કંઈ દ્રષ્ટાને ચોંટી પડતું નથી. આપણે હોળી જોઈએ, તો હોળીથી આંખ દાઝતી નથી. એટલે જોવાથી જગત નડતું નથી. જોવાથી તો આનંદ થાય છે. 'જોવું' ને 'જાણવું' એ બેઉ ચેતનના ગુણો છે. અને કરવું એ પુદ્ગલના ગુણો છે. જે કરે તે જાણે નહીં ને જે જાણે તે કરે નહીં. કર્તાભાવ ને દ્રષ્ટાભાવ, બે જુદા છે. કર્તા-ભોક્તામાં કર્મ બંધાય ને જ્ઞાતા-દ્રષ્ટામાં કર્મ ના બંધાય. પ્રશ્નકર્તા : સંસારવ્યવહારમાં અને આત્મવ્યવહારમાં ફરક શું છે? દાદાશ્રી : સંસારવ્યવહાર ક્રિયાત્મક છે અને આત્મવ્યવહાર જ્ઞાનાત્મક છે. એક ક્રિયા કરે છે ને બીજો 'જોયા' કરે છે. જે કરે તે જાણે નહીં અને જે જાણે તે કરે નહીં. કરનાર અને જાણનાર બે એક હોય નહીં, જુદાં જ હોય. જુદાં હતાં, જુદાં છે અને જુદાં રહેશે. છ માસ સુધી સતત માંહ્યલા ભગવાનને ઉદ્દેશીને કહે કે 'હે ભગવાન ! જ્ઞાન તમારું અને ક્રિયા મારી' તો ય તે ભગવાન ભેગા થાય એવાં છે. જ્ઞાનીમાં-અજ્ઞાનીમાં, પરિણામી સ્વભાવ ! અનાત્મ ભાગ છે તે પરિણામી સ્વભાવનો છે અને આત્મા એ પણ પરિણામી સ્વભાવનો છે. પરિણામી સ્વભાવ એટલે ક્ષણે ક્ષણે પર્યાય બદલનારાં, આત્મા અને અનાત્મા, બંને પોતાનાં પરિણામ વહેંચી લે છે. એક ક્રિયાની ધાર છે અને એક જ્ઞાતા-દ્રષ્ટાની ધાર છે, જે જ્ઞાનીમાં છૂટી વર્તે. ત્યારે અજ્ઞાનીને એક કડવું અને મીઠું એમ મિક્ષ્ચર ધાર વર્તે. તેથી તેને બેભરમી કઢી જેવો સ્વાદ આવે. કર્તાભાવ ને જ્ઞાતાભાવ ! ખાનાર દેહ છે. ખાનાર જાણતો નથી અને જાણનાર ખાતો નથી. ક્રિયા કરે એ પરતત્ત્વ અને જાણનાર સ્વતત્ત્વ છે. લૂંટે છે ને લૂંટાય છે, એ બેઉ અનાત્મા છે ! કોઈ પણ ક્રિયા થાય તો તેનું પૃથક્કરણ કરીએ તો, ચિત્તનો ભાગ આટલો છે, અહંકારનો ભાગ આટલો છે. ઈન્દ્રિયોનો ભાગ આટલો છે. જ્ઞાનેન્દ્રિયોનો ભાગ આટલો છે. આત્માએ શું કર્યું ? આત્મા એ તો 'વીતરાગ' જ છે. એણે તો 'જોયું ને જાણ્યું' બધા ભાગ જુદાં પાડે તો છેવટે 'કેવળજ્ઞાન' એકલું જ રહે ! તે કેવળ-જ્ઞાનનો ભાગ તે જ આત્માનો ! જ્ઞાન, ઈન્દ્રિય ને અતીન્દ્રિય ! 'જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ !' આ પ્રતિક્રમણ ક્રિયા, સામાયિક ક્રિયા કરે છે તે અજ્ઞાન ક્રિયા છે. મોક્ષ આ બાહ્યક્રિયાઓથી ના થાય. મોક્ષ તો જ્ઞાનક્રિયાથી હોય. જ્ઞાનક્રિયા એટલે જ્ઞાતા-દ્રષ્ટારૂપ ઉપયોગ રાખવો અને તેનું નામ જ મોક્ષ ! જ્ઞેયને જાણવું, તેનું નામ જ્ઞાનક્રિયા અને જ્ઞેયને સમજવું, તેનું નામ દર્શનક્રિયા. ઈન્દ્રિયજ્ઞાનને આધીન જોવું-જાણવું એ રાગ-દ્વેષવાળું છે. અતીન્દ્રિયજ્ઞાનને આધીન જાણવા-જોવાનો અધિકાર છે. તે વગર જાણવા-જોવાનો અધિકાર નથી. ઈન્દ્રિયજ્ઞાન ભાવો બધા ઊભાં કરે. અતીન્દ્રિયજ્ઞાન ભાવો જ ના થવા દે ! ઇન્દ્રિયોથી જુએ છે, જાણે છે છતાં રાગ-દ્વેષ નથી એ અતીન્દ્રિય જ્ઞાન છે અને રાગ-દ્વેષ છે એ ઈન્દ્રિયજ્ઞાનથી જુએ છે, જાણે છે ! 'રિલેટિવ'ને જુએ-જાણે તે વીતરાગ ચારિત્ર. જુએ-જાણે છતાં ય રાગ-દ્વેષ ના થાય. જ્ઞેય વસ્તુઓ વીતરાગ છે. જ્ઞાતા ય વીતરાગ છે ને વચ્ચે અહંકાર છે તે રાગ-દ્વેષ કરાવે છે. અહંકાર ઊડી ગયો એટલે જ્ઞેય જોડે વીતરાગી ભાવ રાખવાનો. જ્ઞેયને તરછોડ મારીએ તો એ પણ તરછોડ મારે. છતાં મહીં પૌદ્ગલિક ભાવો ખરાબ નીકળે તો પ્રતિક્રમણ કરવાનું 'તમારે' કહેવું. અક્રમમાં સામાયિક આપણા અહીં અક્રમમાં સામાયિક, ધ્યાન કે કોઇ ક્રિયા હોતી નથી. એ તો બહાર વ્યવહારમાં હોય છે. વ્યવહારિક ધ્યાન કે સામાયિક એટલે શું કે બહારથી પોતાનું કુંડાળું નક્કી હોય ને તેની મહીં બહારથી પેસી ના જવા દેવું, જે આવે તેને હાંક હાંક કરવાનું અને કુંડાળામાં કોઇને પેસવા નહીં દેવાનું. એ હાંકે તો ય પેસી જાય એમાં. અને 'આપણે' તો જે પેસી જાય, જે મહીં થાય તેને 'જોયા' જ કરવાનું. આપણું સામાયિક કેવું છે કે જે વિચાર આવે તે ખરાબ આવે કે સારાં આવે, બધાંને 'જોવાનું', ખાલી જો જો જ કર્યા કરવાનું. જેમ સિનેમામાં જોઇએ છીએ કે મહીં માણસ મારંમારી કરે છે, તોફાન કરે છે, પણ આપણે તેમાં 'ઇમોશનલ' થતાં નથી ને ? જેવું સિનેમામાં છીએ તેવું અંદરનો બધો સિનેમા જોવાનો, એ સામાયિક છે. અડતાલીસ મિનિટ કરવામાં આવે તો બહુ કામ થઇ ગયું. ઉકલતી ફિલ્મો જુઓ, જાણો ! આપણે સિનેમામાં બેઠા હોઈએ અને પેલી ફિલ્મમાં કોઈ મારતો હોય, તે કોઈ માણસે થોડો આગળનો ભાગ જોયો હોય ને પછી કહેશે, 'ના મારે તો સારું. એ ય તારે નથી મારવાનું અને મારશે તો હું અટકાવીશ.' એવો એમને વિચાર આવ્યો હોય ને પછી એવું બોલે, તે ઘડીએ લોકો શું કહે ? પ્રશ્નકર્તા : 'ગાંડો છે' એવું કહે. દાદાશ્રી : હા, એવું આ બધું છે. આ ફિલ્મ ચાલ્યા જ કરે છે. અમથો તું શું કરવા ડખા કરે છે ? સિનેમામાં જોઈને આમ ઊભો થઈ જાય. હવે એ શું જાણે કે આ સમજતા નથી. પણ એ કહે ય ખરો કે, 'અરે, રહેવા દો, રહેવા દો મૂરખા.' એને એની સમજણ પ્રમાણે મૂરખા જ લાગે ને ? 'સમજતાં નથી. શું જોઈને બેસી રહ્યો છે ?' એવું કહે. હવે આવી દુનિયા ચાલે છે. આ ફિલ્મની પેઠ આ ઉકલ્યા કરે છે. તેથી અમે કહેલું કે વ્યવસ્થિત છે. શું કરવા ડખો કરે છે ? જુઓને, ખાલી ફિલ્મમાં 'આણે આને મારી નાખ્યો, આણે આનું ખૂન કર્યું, આણે રક્ષણ આપ્યું.' બધું જુઓ. કોઈને મારી નાખેલું જોઈએ તેથી કરીને આંખને નુકસાન થાય કશું ? પ્રશ્નકર્તા : કશું નહીં. દાદાશ્રી : આ મોટી હોળી સળગતી હોય એને જોઈએ તેથી કંઈ આંખ દાઝે ? આંખ કંઈ દાઝવાની છે ? ના. એવું પોતે 'જોનાર', 'જાણનાર' છે. ઠેઠ સુધી જાણનાર પદમાં ! આપણે હિંસક ભાવ તો હોવો જ ના જોઈએ. એક માણસ આપણને માર મારે તો ય એ ખોટો છે, એવું ના હોય, હિંસકભાવ ના હોવો જોઈએ. એ મારતો હોય તો ય આપણને 'આણે મારી હિંસા કરી છે' એમ ના કહેવાય. એ મારા ઉદયકર્મનું અને એના ઉદયકર્મનું, બન્નેનું સામસામે ઉદયકર્મ લડે છે આ, હું જાણનાર છું, એ ય જાણનાર છે. ભલે એ જાણકાર ના રહેતો હોય, એણે દારૂ પીધો હોય, તો ય મારે લેવા-દેવા નથી. પણ હું તો જાણનાર છું. એવું રહ્યું નિજ સ્વરૂપ ! લોક આપણી જોડે લઢે, તોફાન માંડે, આપણી પર ઢેખાળો નાખે, તો ય પણ આપણું સ્વરૂપ એવું છે કે આપણને ઢેખાળો વાગે એવું નથી. પેલાં તો જાણે કે હું આમને મારું છું. પણ આપણને વાગે નહીં. આપણું સ્વરૂપ એવું છે કે કશું વાગે નહીં, દેવતા નાખે તો ય કશું ના થાય. તારે જે નાખવું હોય તે નાખ, હું છું ને તમે છો ! આ તો તાવ આવ્યો હોય ને, તો 'મને તાવ આવ્યો, તાવ આવ્યો' કર્યા કરે. અલ્યા, ન્હોય એ તારું સ્વરૂપ ! ભગવાનને ત્યાં બીજો કોઈ ગુનો જોવામાં આવતો નથી. એમને તો તમે જ્યાં છો ને જેવા છો તેમ વર્તો નહીં, તેનો ગુનો છે ! તું 'પોતે' જ્ઞાતા-દ્રષ્ટાપદમાં છે. તેમાં તું રહે ! શું સંજોગ બન્યા, જોયા કરે ! એટલે પહેલું કયું જ્ઞાતા-દ્રષ્ટા ? 'આ જગતમાં શું બધું ચાલી રહ્યું છે ?' એને જોવાનું જ. બીજું કશું કરવાનું નહીં. જોવાનું જ ખાલી. આ બેન કાચ ફોડતી હોય, તે ય આપણે જોવાનું. બોલવાનું નહીં, એ પહેલું જોયા કરો. પ્રશ્નકર્તા : બધું જોયા જ કરીએ છીએ. દાદાશ્રી : તો આત્મા છૂટો પડી ગયો કહેવાય. 'શું થઈ રહ્યું છે' એ જોયા કરો. આ બેન નુકસાન કરતી હોય એ તમારે જોયા કરવાનું. જોયા ના કરે ત્યાં સુધી એ 'પોતે' હજુ જીવતો છે 'ચંદુભાઈ' તરીકે. છોકરો જતો હોય આમ અને છોકરાના ગજવામાંથી પૈસા પડતાં હોય, તો પહેલાં આપણે શું કરતાં હતાં ? કકળાટ કરી મેલે, કૂદાકૂદ કરી મેલે, 'ઊભો રહો, પૈસા પડે છે.' તે હાલી જાય બધું. કારણ કે 'ચંદુભાઈ' તરીકે જીવતા હતા. એટલે એવું થાય ને ! પણ 'ચંદુભાઈ' તરીકે જીવતા હોય ત્યાં સુધી. પછી 'જ્ઞાન' મળ્યા પછી શુધ્ધાત્મા થયા એટલે આજ જ્ઞાતા-દ્રષ્ટા થયા એટલે પછી પૈસા પડો કે જે પડો, તે આપણે ચેતવણી અપાય કે 'ભઈ, તારા ગજવામાંથી પૈસા પડે છે.' ખેંચ નહીં કરવાની. પેલું બન્યું એ ડીસ્ચાર્જ છે અને ખેંચ નહીં કરવી એવી જાગૃતિ, એ જ પુરુષાર્થ છે. બાકી કહેવું ખરું, હું ય તમને કહું કે 'મોટલ આવી રીતે ચલાવવી.' પણ અમને ખેંચ નહીં, રાગ-દ્વેષ ના થાય. ખેંચ જ હોય નહીં ને ! 'અમારું ખરું છે' એવું અમે માનીએ જ નહીં. ખરું એ ખરું, અમારું એ ખરું નહીં, જે બન્યું એ કરેક્ટ. પછી એમાં આપણે આઘાપાછા ના થઈએ કશું. 'જીવતા' છીએ એવું ના ખબર પડે. એ તો ચેતવણી ના આપીએ તો ય વાંધો નથી. જાણે જીવતા છીએ એવી ખબર ના પડવી જોઈએ. ધીમે ધીમે દ્રષ્ટિ ઊંચી જતી જશે. જીવતા હોય ત્યાં સુધી મહીં કકળાટ કરી દે કે 'જો જો ભૂલ થશે, નુકસાન થશે.' આ તો જે ભૂલ થવાની હોય કે નુકસાન જવાનું થાય, તેનાં આપણે જ્ઞાતા-દ્રષ્ટા ! મરી ગયા હોય પછી શું કરીએ ? પછી ભૂલો થાય તો ? એ બધું આવી રીતે જોવાનું, આપણે જોનાર ને જાણનાર, બસ. આપણે અક્ષરે ય બોલવાનું નહીં. જાણે જીવતા ના હોય, એવી રીતે. તે પહેલું આ અને પછી પેલું થશે. પહેલું આ થાય તો પછી પેલું થાય. જ્ઞાતા થવું, સંયોગ માત્રના ! દરેક સંયોગોમાં આપણે પોતે ભળવા જેવું નથી, એના તો ફક્ત જ્ઞાતા-દ્રષ્ટા માત્ર છીએ. સંયોગોની સાથે આપણે ઝઘડો કરવાની ય જરૂર નથી કે તેની સાથે બેસી રહેવાની ય જરૂર નથી. કોઈ પણ સંયોગ આવે તો કહી દઈએ કે, 'ગો ટુ દાદા.' દરેક સંયોગ તો નિરંતર બદલાયા જ કરવાના અને આપણે તેનાથી ભિન્ન છીએ. વિચાર આવ્યો એ સંયોગ અને તેમાં ભળીને હાલી જાય તે ભ્રાંતિ છે, તેને તો માત્ર જોવા ને જાણવા જોઈએ. વીતરાગ ભગવાન શું કહે છે કે, 'આ બધાં સંયોગો જ છે, બીજો આત્મા છે, એ સિવાય ત્રીજું કશું જ નથી.' એમને ખરું-ખોટું, સારું-નરસું કશું જ ના હોય. 'વ્યવસ્થિત' શું કહે છે કે, 'આ સંયોગોમાં તો કોઈનું કિંચિત્ માત્ર પણ વળે નહીં, બધો જ પાછલાં ચોપડાનો હિસાબ જ માત્ર છે.' વીતરાગોએ શું કહ્યું કે બધા સંયોગો એકસરખા જ છે. આપવા આવ્યો કે લેવા આવ્યો, બધું એક જ છે, પણ અહીં બુદ્ધિ ડખો કરે છે. સંયોગોના માત્ર 'જ્ઞાતા-દ્રષ્ટા' જ રહેવા જેવું છે. આ સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે. ભેળા થવાના સંયોગ પૂરા થાય એટલે વિખરાય ત્યારે જે મણનું હતું તે પછી ૩૮ શેર થાય, ૩૬ શેર થાય, પછી ક્રમશઃ તે પૂરું થાય. ન વેદે, માત્ર જાણે ! તમારે ય હવે સંયોગો એકલાં રહ્યા છે. મીઠા સંયોગો તમને વાપરતાં નથી આવડતાં. મીઠા સંયોગો તમે વેદો છો, એટલે કડવા પણ વેદવા પડે છે. પણ મીઠાને 'જાણો', તો કડવામાં પણ 'જાણવાપણું' રહેશે ! પણ તમને હજુ પહેલાંની આદતો જતી નથી, તેથી વેદવા જાવ છો. આત્મા વેદતો જ નથી, આત્મા જાણ્યા જ કરે છે. જે વેદે છે તે ભ્રાંત આત્મા છે, પ્રતિષ્ઠિત આત્મા છે. તેને ય 'આપણે' શુધ્ધાત્માએ જાણવું કે 'ઓહોહો ! આ પ્રતિષ્ઠિત આત્મા જલેબીમાં તન્મયાકાર થઈ ગયો છે !' સંયોગો, વિયોગી સ્વભાવનાં.... જ્યારે આત્મા અને સંયોગોને તો જ્ઞાતા-જ્ઞેયનો સંબંધ છે. આત્માને તો બધાંનો સંયોગ-સંબંધ માત્ર જ છે. 'શુધ્ધાત્મા' પોતે અસંયોગી છે અને તે સિવાયનું બીજું બધું જ સંયોગ-સંબંધ છે. સંયોગો-વિયોગો એ તો જ્ઞેય છે અને 'તું પોતે' જ્ઞાતા છે. પણ જ્ઞાતા જ્ઞેયાકાર થઈ જાય છે તેથી અનંત ભવ રખડ્યો છે. પાંચ કરણથી જે દેખાય છે, અનુભવાય છે તે સ્થૂળ સંયોગ અને અંતઃકરણના સૂક્ષ્મ સંયોગો અને વાણીનાં સંયોગો એ બધા ય સંયોગો સાથે આત્માને સંયોગ-સંબંધમાત્ર છે, સગાઈ-સંબંધ નથી. જ્ઞાતા-જ્ઞેયનો સંયોગ-સંબંધમાત્ર છે. જો જ્ઞાતા-જ્ઞેયના સંયોગ-સંબંધમાત્રમાં જ રહે તો તે અબંધ જ છે ! જ્યારે લોક તો સંયોગોની સાથે શાદી સંબંધની કલ્પના કરી બેઠા ! તેનાથી જે ફસામણ ઊભી થઈ કે બહાર નીકળાયું જ નહીં ને ! આત્મા તદ્દન નિરાળો છે. સંયોગોને સર્વ રીતે જોઈ શકે, જાણી શકે તેવો છે. પણ સંયોગોને વળગી પડો અને તેને પરણી બેસો તો શું થાય ? આત્મા જોનારો, એકલો આત્મા જ ! આપણે આત્મા થયા એટલે આત્મરૂપે જ રહેવું જોઈએ. આપણે તત્ત્વદ્રષ્ટિ પ્રાપ્ત કરી છે. આપણે તત્ત્વદ્રષ્ટિથી જોવાનું. મનનો સ્વભાવ જોઈ શકવાનો નથી. આપણે મનને કહીએ કે, 'તું અંદર જો જોઈએ. નાનપણથી તે શું શું કર્યું અત્યાર સુધી ?' ત્યારે મન કહે, 'ના, મારામાં જોવાનો સ્વભાવ જ નથી.' બુદ્ધિને કહીએ કે, 'તું જો' ત્યારે બુદ્ધિ લાંબું જોઈ શકે જ નહીં. નફો-ખોટ જ જુએ. બીજું કશું જુએ નહીં. ક્યાં નફો છે ને ક્યાં ખોટ છે, એ જ જોઈ લે. અહીં પેસતાં જ એ જુએ શું ? 'ક્યાં બેસવાની જગ્યા છે ? કઈ સારી જગ્યા છે ?' એટલું જ જુએ. બાકી બુદ્ધિ કશું જોઈ શકે નહીં અને અહંકાર તો આંધળો જ છે. એટલે આ એકલો આત્મા જ જોઈ શકે છે. આ તો મોક્ષનું જ વિજ્ઞાન ! પ્રશ્નકર્તા : આ 'ફાઈલ નંબર વન'ને જોવાની વાત દાદાએ જે બતાવી છે, એ દાદાએ જ બતાવી છે. બીજે ક્યાંય નથી આવું. દાદાશ્રી : હોઈ શકે નહીં ને ! આ ક્યારેય હોઈ શકે નહિ ! શાસ્ત્રમાં ય આ વાત ના હોય. આ વાત વિજ્ઞાન છે. સીધું મોક્ષનું જ વિજ્ઞાન છે આ તો. એવું ક્યાંય હોય નહીં ને ! બીજે બધે તો પરીક્ષાઓ હોય અને કસરતો હોય. બીજું શું હોય ? મનને મજબૂત કરવાની કસરતો હોય. આવું હોય નહિ ને ! 'ફાઈલ નંબર વન' કહ્યું ત્યાંથી જ એ પોતે આત્મા જ થઈ ગયો. પછી રહ્યું જ નહીં, ચોખ્ખું જ થઈ ગયું. પ્રશ્નકર્તા : તરત છૂટો પડી જાય. દાદાશ્રી : હા, છૂટો પડી જાય. પ્રશ્નકર્તા : કોઈ પણ સંવેદના ઊભી થાય તો તરત ખબર પડે. દાદાશ્રી : એક પરમાણુ આઘુંપાછું થાય તો તે જોઈ શકે પાછાં અને અંદર જોતાં આવડ્યું તે પછી આખું જગત જોઈ શકે. બીજું શું જોવા જેવું છે બળ્યું ?! આ મહીં ઓછું મશીન ચાલે છે બળ્યું ?! હેય, આખો સિનેમાનો શો ચાલ્યા જ કરે છે. તે માસીસાસુ હઉં સાંભરે. અલી તું શું કરવા સાંભરી અત્યારે તે ?! માસીસાસુ ય મહીં સાંભરે. મહીં દેખાય હઉં. લાકડી ઝાલીને ફરતાં હોય ને, તે ય દેખાય મહીં. પ્રશ્નકર્તા : ધણી એક જ, ને સાત માસી સાસુ, પંદર નણંદો, કાકા સસરા. દાદાશ્રી : હા, બધું તોફાન મહીં દેખાય. પણ આપણે શું કહીએ છીએ ? બધું હોય છે, જુઓ. જોવાલાયક છે અને એને જોશો તો તમે જ્ઞાતા છો. જ્ઞાયક સ્વભાવમાં આવી ગયા, પરમાત્મા સ્વરૂપ થઈ ગયા. આપણો જ્ઞાયક સ્વભાવ જ્યાં હોય ત્યાં કંઈક થયું તો એ જાણી જાય. પાછળ માખી બેઠી હોય તો ય જાણી જાય અને રાતે કંઈક માકણ કરડ્યો હોય તો ય ખબર પડી જાય કે અહીં જ છે. પ્રશ્નકર્તા : પણ એ એક જાતની સામાયિક ના કહેવાય. દાદાશ્રી : એને સામાયિક ના કહેવાય. પ્રશ્નકર્તા : તો આને શું કહેવાય ? દાદાશ્રી : આને જ જ્ઞાતા-દ્રષ્ટા કહેવાય. બહાર ડફોળિયાં મારવા, તેનું નામ જ્ઞાતા-દ્રષ્ટા નહીં. મહીં સૂક્ષ્મ પરિણામો જગત જોઈ શકવાને લાયક નથી, ત્યારે ત્યાં આ જ્ઞાતા-દ્રષ્ટા રહે. બધી ક્રિયા જુએ, જાણે ! આ તમને લાગે કે આ બધી ક્રિયા કરે છે. પણ આમાં કોઈ ક્રિયાના અમે કર્તા હોઈએ નહીં. આના જ્ઞાતા-દ્રષ્ટા હોઈએ. 'અંબાલાલ પટેલ' શું કરી રહ્યા છે એને 'અમે' જોયા કરીએ. દાતણ કરી રહ્યા છે તે જોયા કરીએ. રઘવાટ કરે છે તે ય જોયા કરીએ, આળસ કરે તે ય જોયા કરીએ. અમે બધું જોયા કરીએ. અમે જાણીએ ય ખરાં કે અહીં આગળ રઘવાટ કર્યો હતો, અહીં આગળ આળસ કરી હતી. એ બધો ગૂંચવાડો ! પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટાની વાતમાં જરા પૂછવું હતું. ઘરમાં કે બહારનો કોઈ ભીડો હોય એના કરતાં એકાંતમાં જઈને જ્ઞાતા-દ્રષ્ટા રહીએ કરીએ એવું જરૂરી ખરું ? એનાથી ફાયદો થાય ! દાદાશ્રી : એવું છેને, એનું નામ ગુંચવાડો કહેવાય. 'શું બને છે' એ જોવું, એનું નામ જ્ઞાન. આપણા હાથમાં સત્તા નથી ને ! ઇચ્છા તો ખરી કે 'ભઈ આવું હોય તો સારું.' પણ એવું થવું જોઈએ ને ?! ડખોડખલની ડેફિનેશન ! તમે જે માલ ભરેલો તે માલને લઈને આ ડખોડખલ કરે ને. અને એવો માલ બીજાનામાં ભરેલો ના હોય તે એને ડખોડખલ ના હોય. અમારામાં તો ડખલ ના હોય કોઈ જાતની. અમારે તો જ્ઞાતા-દ્રષ્ટામાં જ રહેવાય. પ્રશ્નકર્તા : એટલે ડખોડખલની ડેફિનેશન આપો. ડખોડખલનું એક્ઝેક્ટ થર્મોમીટર શું ? દાદાશ્રી : જોયા કરવું એ ડખોડખલ નહીં. જોવું ને જાણવું, એનું નામ ડખોડખલ નહીં. ભાંગવી કરવાપણાની ભૂલ ! આ તો એવું છે ને, આપણી જે સર્વિસ હતી ને, એ સર્વિસથી આપણે જુદી જાતનું કામ કરીએ છીએ. આપણને સ્ટેશન માસ્તરનું રેલવેમાં કામ સોંપ્યું હોય અને પછી ગાર્ડની જોડે કહેશે કે 'હું ગાર્ડ છું.' એવું કરીએ તો થાય ખરું ? એટલે આપણે આપણી દરેક ડ્યુટી બજાવતાં નથી. તમે આત્મા છો, જાણવાનું-જોવાનું એટલું જ કામ છે. તેને બદલે 'કરવા' મંડી પડ્યા. જાણવા-જોવાનું એટલું જ કામ હતું, તેને બદલે 'કરવા' બેસી ગયા. પ્રશ્નકર્તા : એમાં જ ઓતપ્રોત થઈ ગયા. દાદાશ્રી : હા, તે ઓતપ્રોત થઈ ગયા બધા. જ્યારે નિરંતર જોવા-જાણવાની ક્રિયા થઈ રહી, એનું નામ જ ચેતનક્રિયા. સંયોગો, પર પરાધિન ! 'સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે અને પરાધીન છે.' આટલું જ વાક્ય પોતાની સમજમાં રહેતું હોય, પોતાની જાગૃતિમાં રહેતું હોય તો સામો માણસ ગમે તે બોલે તો ય આપણને જરા ય અસર થાય નહીં અને આ વાક્ય કલ્પિત નથી. જે 'એક્ઝેક્ટ' છે, તે કહું છું. હું તમને એમ નથી કહેતો કે મારા શબ્દને માન રાખીને ચાલો. 'એક્ઝેક્ટ' આમ જ છે. હકીકત તમને નહીં સમજ પડવાથી તમે માર ખાવ છો. પ્રશ્નકર્તા : સામો અવળું બોલે ત્યારે આપના જ્ઞાનથી સમાધાન રહે છે, પણ મુખ્ય સવાલ એ રહે છે કે અમારાથી કડવું નીકળે છે, તો તે વખતે અમે આ વાક્યનો આધાર લઈએ તો અમને અવળું લાયસન્સ મળી જાય છે. દાદાશ્રી : એ વાક્યનો આધાર લેવાય જ નહીં ને ?! તે વખતે તો તમને પ્રતિક્રમણનો આધાર આપેલો છે. સામાને દુઃખ થાય એવું બોલાયું હોય તો પ્રતિક્રમણ કરી લેવું અને સામો ગમે તે બોલે, ત્યારે વાણી પર છે ને પરાધીન છે, એનો સ્વીકાર કર્યો. એટલે તમારે સામાનું દુઃખ રહ્યું જ નહીં ને ?! હવે તમે પોતે અવળું બોલો પછી તેનું પ્રતિક્રમણ કરો, એટલે તમારા બોલનું તમને દુઃખ ના રહ્યું. એટલે આ રીતે બધો ઉકેલ આવી જાય છે. પ્રશ્નકર્તા : વાણી બોલતી વખતે કેવા પ્રકારની જાગૃતિ રાખવી ? દાદાશ્રી : જાગૃતિ એવી રાખવાની કે 'આ બોલ બોલવામાં કોને કોને કેવી રીતે પ્રમાણ દુભાય છે' એ જોવાનું છે. પ્રશ્નકર્તા : ઘણી વખત ના બોલવું હોય તો બોલી જવાય. પછી પસ્તાવો થાય. દાદાશ્રી : વાણીથી જે કંઈ બોલાય છે તેના આપણે 'જ્ઞાતા-દ્રષ્ટા' ! પણ જેને એ દુઃખ પહોંચાડે તેનું પ્રતિક્રમણ 'આપણે' 'બોલનારા' પાસે કરાવવું પડે. 'જ્ઞાની'નો, કેવો પ્રયોગ ?! અમારા 'જ્ઞાની'ના પ્રોગ્રામ કેવા હોય કે હરેક ક્રિયાને 'અમે' 'જોઇએ'. તેથી હું આ વાણીને રેકર્ડ કહું છું ને ! આ રેકર્ડ બોલી રહી છે તેને જોયા કરું છું કે શું રેકર્ડ વાગી રહી છે ને શું નહીં ! અને જગત તન્મયાકાર થાય છે. સંપૂર્ણ નિર્તન્મયાકાર રહે, તેને કેવળજ્ઞાન કહ્યું છે. જગત જુએ છે તેવું આ અજ્ઞાની પણ જુએ છે, પણ તેમનું જોયેલું કામ નહીં લાગે. કારણકે તેમનું 'બેઝમેન્ટ' અહંકાર છે. 'હું ચંદુલાલ છું' એ એનું 'બેઝમેન્ટ' છે અને 'આપણું' 'બેઝમેન્ટ' 'હું શુધ્ધાત્મા છું' છે. એટલે આપણું જોયેલું કેવળજ્ઞાનના અંશમાં જાય. જેટલા અંશે આપણે જોયું, જેટલા અંશે આપણે આપણી જાતને છૂટી દેખી, વાણીને છૂટી જોઇ, આ 'ચંદુભાઇ' શું કરે છે તે જોયું, તેટલા અંશે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. અમારે કોઇ ગાળો આપે તો તે અમારાં જ્ઞાનમાં જ હોય, 'આ રેકર્ડ શું બોલે છે' તે ય મારા જ્ઞાનમાં જ હોય. રેકર્ડ ખોટું બોલી હોય તે મારા જ્ઞાનમાં જ હોય. અમારે તદ્દન જાગૃતિ રહ્યા કરે અને સંપૂર્ણ જાગૃતિ એ કેવળજ્ઞાન છે. વ્યવહારમાં લોકોને વ્યવહારિક જાગૃતિ રહે છે, તે તો અહંકારના માર્યા રહે છે. પણ આ તો શુધ્ધાત્મા થયા પછીની જાગૃતિ કહેવાય. આ અંશ કેવળજ્ઞાનની જાગૃતિ છે અને ત્યાંથી જ કલ્યાણકારી છે. અંદર મશીનરીને ઢીલી નહીં મૂકવાની. આપણે એની ઉપર દેખરેખ રાખવાની કે કયાં કયાં ઘસારો થાય છે, શું થાય છે, કોની જોડે વાણી કડક નીકળી. બોલ્યા તેનો વાંધો નથી, આપણે 'જોયા' કરવાનું કે ઓહોહો, ચંદુભાઇ કડક બોલ્યા ! પ્રશ્નકર્તા : પણ જ્યાં સુધી ના બોલાય ત્યાં સુધી સારું ને ? દાદાશ્રી : 'બોલવું, ના બોલવું' એ આપણા હાથમાં રહ્યું નથી હવે. તમે તો મોટાં જનરલ મેનેજર છો એટલે તમને સમજાવું એટલે તમે તરત સમજી જાવ. આમ બે જુદા જ છે ! હવે ચંદુભાઈ ક્રિયાશીલ, ચંદુભાઈનું શરીર ક્રિયાશીલ, મન ક્રિયાશીલ, વાણી ક્રિયાશીલ અને તમે જ્ઞાતા-દ્રષ્ટા અક્રિય ! ક્રિયાશીલના જ્ઞાતા-દ્રષ્ટા કે 'શું ક્રિયા ચાલી રહી છે' એ જોયા કરો. 'મનની ક્રિયા શું ચાલી રહી છે, વાણીની ક્રિયા શું ચાલી રહી છે, દેહની ક્રિયા શું ચાલી રહી છે' એ જોયા કરો. પોતે જ્ઞાન સ્વરૂપ છે. પોતે આ પુદ્ગલ સ્વરૂપ નથી. જાણનારો ને જ્ઞેય બે જુદાં હોય. ચંદુલાલ જ જ્ઞેય છે અને દ્રશ્ય છે. પોતે જાણકાર છે. બહારનું તો તમે જોશો એ જુદી વાત છે, પણ તમારા જ અંદરનું તમે બધું જોયા કરશો તે વખતે તમે કેવળજ્ઞાન સત્તામાં હશો. પણ અંશ કેવળજ્ઞાન થાય, સર્વાંશ નહીં. અંદર ખરાબ વિચારો આવે તેને જોવાં, સારા વિચારો આવે તેને જોવાં. ખરાબ ઉપર રાગ નથી અને સારા ઉપર દ્વેષ નથી. સારું-ખોટું જોવાની આપણે જરૂર નથી. કારણ કે સત્તા જ મૂળ આપણા કાબૂમાં નથી. અવિરત જ્ઞાતા-દ્રષ્ટા ! આ ટેપરેકર્ડ શું બોલે છે, એ જોયા કરીએ ને જાણ્યા કરીએ, બસ ! એમાં ખરા-ખોટાની ય પછી જોખમદારી નહીં. કારણ કે ટેપરેકર્ડ બોલે છે. હું તો જાણનાર છું, હું જુદો છું. છતાં બનતાં સુધી આ ટેપ બહુ ઊંચા પ્રકારની છે ! એટલે આ દેખાય છે એ ભાદરણના પટેલ છે અને આ જે બોલે છે એ ટેપરેકર્ડ છે, ઓરિજિનલ ટેપરેકર્ડ છે. અને મહીં 'દાદા ભગવાન' પ્રગટ થયેલા છે. તેમની સાથે હું રહું છું એકતાથી. અને કોઈ વખત બહાર નીકળીને અંબાલાલ સાથે ય એકતાર થાઉં છું. બેઉ બાજુ વ્યવહાર કરવા દેવો પડે. આ અત્યારે વ્યવહારમાં આવ્યો કહેવાય. નહીં તો મહીં પોતે અભેદ રહે. પ્રશ્નકર્તા : આપને દ્રષ્ટાભાવની સ્થિતિ કાયમ રહે ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા સ્થિતિ કાયમ રહે. આ વાત ટેપરેકર્ડ કરે છે અને અંદર શુધ્ધ ઉપયોગ રહે. આ શું બોલ્યા ને શું નહીં, એટલું જ જોયા કરીએ. આ વાતે ય ચાલતી હોય ને શુધ્ધ ઉપયોગ રહે. પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા ભાવ સાથે પરમાનંદ ભાવ હોય ને ? દાદાશ્રી : પરમાનંદ જ હોય, નિરંતર પરમાનંદ એટલે નિરંતર જુદા જ રહેવાનો વ્યવહાર છે. અમે એક સેકંડ પણ પુદ્ગલ ભાગમાં રહેતા નથી. 'હું તો ક્ષેત્રજ્ઞ તરીકે જોયા કરું છું.' 'હું' મારા ક્ષેત્રમાં જ રહું છું. 'જે બને છે' એ જોયા કરવું ! આખી જિંદગીના દરેક કાર્ય જો ફિલ્મની પેઠ જોવામાં આવે તો કોઈ કાર્ય એને અડે નહીં. 'ચંદુભાઈ શું કરી રહ્યા છે' એને તમારે જોવું, એનું નામ પુરુષાર્થ. જ્યારે ભ્રાંત પુરુષાર્થ કયો ? જે થઈ રહ્યું છે એમાં શો ભાવ હતો ને શો ભાવ ન હતો એ જ ભ્રાંત પુરુષાર્થ. ભ્રાંત પુરુષાર્થમાં વચ્ચે ભાવ આવે ને યથાર્થ પુરુષાર્થમાં જ્ઞાતા-દ્રષ્ટા. ઉપાય કરવાની જરૂર નહીં, માત્ર 'જોયા' કરવાનું. ક્રોધ કેટલો વધ્યો, કેટલો ઘટ્યો, એ જોયા કરવાનું. 'ઉપેય' પ્રાપ્ત થઈ ગયું એટલે ઉપાય કરવાના રહ્યા નહીં. ઉપાય કરવાથી આત્માનું જ્ઞાતાપણું જતું રહે. એટલે ખરો લાભ જતો રહે. આટલું ટેન્શન આવ્યું, આટલું વધ્યું, હવે જતું રહ્યું. એ જ્ઞેયો જો જો કરવાના. જ્ઞાતા રહેવાનું ને ઉપાય કરવાથી તો ઠંડક રહે. કષાયોના પણ જ્ઞાતા-દ્રષ્ટા ! મહીં લેપાયમાન ભાવોમાં ક્રોધ પણ આવે. તો ય તમે જાણો કે ક્રોધ આટલો ઊંચો વધ્યો છે, ઘટ્યો છે અગર તો ઓછો થઈ ગયો છે. તમે જ્ઞાતાપદમાં જ છો. છતાં હવે જેની જોડે એ ક્રોધનું નિમિત્ત બને, તો 'તમારે' એનું પ્રતિક્રમણ કરાવવાનું. બીજું કશું કરવાનું નથી. આ સમજવાની જરૂર છે. અને આ જ્ઞાન પણ અજાયબ છે. કારણ કે ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ હોવા છતાં એ બધાની હાજરીમાં આ આત્મજ્ઞાન થઈ જાય છે. જ્ઞાની પુરુષ મળ્યા પછી કશું ય બાકી ન રહે. જે ડિસ્ચાર્જ ક્રોધ-માન-માયા-લોભ રહે છે ને બાકી, તે તો ચંદુભાઈમાં રહે. તમારામાં તો કશું જ નહીં ને ! ચંદુભાઈમાં કશું ના રહે તો તમે જુઓ શું ? ચંદુભાઈ ઠંડા થઈ ગયા તો શું જુઓ તમે ? એ તો આ છે તે જોવાનું એટલે જ્ઞાતા-જ્ઞેયનો સંબંધ રહે. તમે શુધ્ધાત્મા છો અને આ ચંદુભાઈ એ જ્ઞેય છે, એટલે હવે ચંદુભાઈના જે સ્વભાવ છે, ગુણ છે, એ બધા તમને દેખાયા કરશે. 'ચંદુભાઈ શું કરે છે' એ જ ધ્યાન રાખવાનું તમારે. અને ચંદુભાઈ શેના આધિન છે ? 'વ્યવસ્થિત'ને તાબે છે તે આપણે જોયા કરવાનું. આ તો ચંદુભાઈ જુદા ને તમે જુદા. ચંદુભાઈ જે કરતા હોય તે આપણે જોયા કરવાનું. ઓગળે પ્રકૃતિ માત્ર દ્રષ્ટિથી.... પ્રકૃતિમાં જે લોકનિંદ્ય કાર્ય નથી એનો વાંધો નથી. આ ચા-પાણી, નાસ્તો કરીએ એ લોકનિંદ્ય નથી. જે લોકનિંદ્ય પ્રકૃતિ હોય તેનો વાંધો છે. તેવી પ્રકૃતિને જો જો કરવાથી મોળી થતી જાય. જેમ જેમ જુએ તેમ તેમ એ ઓગળતી જાય. કોઈ માણસ હોય તે તલવાર લઈને વઢવા આવ્યો હોય તેને જો આંખોથી જોવાથી નરમ થતો હોય તો ફરીવાર જોવાથી તે ફરી ના આવે. આ તો એ બળવાન હોય અને આપણું જોર નરમ પડે તો એ ચઢી બેસે. પણ અહીં, આપણી પાસે તો 'દિવ્યચક્ષુ' છે. ચર્મચક્ષુથી સામેનાનું જોર નરમ પડે છે ત્યારે આ તો દિવ્યચક્ષુ છે, તે માત્ર દ્રષ્ટિથી જ પ્રકૃતિ ઓગળવા માંડે છે. પ્રશ્નકર્તા : પણ તે વખતે પ્રકૃતિ સહેજ જોર કરે ને પાછી ? પ્રકૃતિનો સ્વભાવ નીકળે તો ખરો ને ? દાદાશ્રી : બધું ય નીકળે. તો ય પણ 'આપણે' 'જોયા' કરવાનું. એ બધો ય આપણો હિસાબ છે. પ્રશ્નકર્તા : પ્રકૃતિનો હિસાબ તો પૂરો કરવાનો છે ને ? દાદાશ્રી : એમાં 'આપણે' કશું કરવાનું નથી. એની મેળે જ થયા કરે. 'આપણે' તો 'જોયા' કરવાનું કે કેટલો હિસાબ બાકી રહ્યો ! આપણે જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદી. આપણને બધી જ ખબર પડે. પ્રતિક્રમણ કરતા હોય તો 'ચંદુભાઈ' કરે, તેમાં 'આપણે' શું લેવા-દેવા ? 'આપણે' જોયા કરવાનું કે 'ચંદુભાઈ'એ પ્રતિક્રમણ કર્યું કે ના કર્યું ? કે પાછું ધક્કે ચઢાવ્યું ? ધક્કે ચઢાવ્યું હોય તો, તે ય ખબર પડી જાય ! 'ચંદુભાઈ' શું કરે છે, જે જે કરે છે તેને 'આપણે' 'જોયા' કરવું, એનું નામ પુરુષાર્થ. 'જોવા'નું ચૂક્યા તે પ્રમાદ. પ્રશ્નકર્તા : 'જોયા' કરવાનું એ શુધ્ધાત્માનું કામ ? દાદાશ્રી : સ્વરૂપનું જ્ઞાન મળ્યા પછી એ કામ થાય, તે સિવાય ના થાય. જ્ઞેય-જ્ઞાતા સંબંધે, પીગળે પ્રકૃતિ ! પ્રશ્નકર્તા : 'હું શુધ્ધાત્મા છું' એ લક્ષ આખો દિવસ રહે છે અને એનાથી જીવન વ્યવહાર કંટ્રોલમાં આવે છે. પણ જે વસ્તુ બહુ એક્સેસ થઈ ગયેલી હોય છે, તેને લીધે આમાં ભંગ પડે છે. દાદાશ્રી : શુધ્ધાત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે. એટલે વ્યવહાર કંટ્રોલમાં લાવવાનો નથી. કંટ્રોલ લાવવા જશો તો 'શુધ્ધાત્મા'ને બદલે 'કંટ્રોલર' થઈ જશો. મને શું પેમ્ફલેટ દેખાડ્યું, તે જોયા કરવું. મન કહે 'આમ કરો.' બીજી વખત કહે, 'આમ કરો.' ત્રીજી વખત કહે, 'ફલાણું કરો.' તે આપણે જાણ્યું. આપણને ને એને બીજો વ્યવહાર રહ્યો નથી. કારણ કે મન જે કંઈ કરે ને એની જવાબદારી આપણી રહેતી નથી. મન 'વ્યવસ્થિત'ના તાબામાં જ છે. 'તમે' જો 'શુધ્ધાત્મા' થયા તો આ બધું બહારનો જે ભાગ છે ને એ 'કમ્પ્લીટ' 'વ્યવસ્થિત', હંડ્રેડ પરસેન્ટ 'વ્યવસ્થિત' થઈ ગયું. અને બહારના માણસોને 'વ્યવસ્થિત' આપવું હોયને તો કહેવું પડે કે મન-વચન-કાયામાં ડખોડખલ ના કરવાનો હોય તો 'વ્યવસ્થિત'નું જ્ઞાન લે. તમે શુધ્ધાત્મા થયા તો પ્રકૃતિ સાહજીક થઈ. સાહજીક એટલે ડખોડખલ કરવા દે એવી હોય નહીં. અને સાહજીક થઈ એટલે એ 'વ્યવસ્થિત' છે. એટલે અમે તમને એમ ના કહીએ કે તને ખરાબ વિચાર આવ્યો તો તું ઝેર પી. હવે તો ખરાબ વિચાર આવ્યો તો ખરાબને જાણ્યો ને સારો વિચાર આવ્યો તો સારાને જાણ્યો. પણ આ બધું હવે ઓગળે શી રીતે ? કેટલુંક કંટ્રોલમાં ના આવે એવું તમે કહો છો ને, તે ના ઓગળે એવી વસ્તુ છે. તેનો આપણે રસ્તો કરવો પડે. અમુક એક કલાક બેસી જ્ઞાતા-જ્ઞેયનાં સંબંધથી એ ઓગળે. જે પ્રકૃતિ ઓગાળવી હોય તે આવી રીતે ઓગળે. એટલે એક કલાક બેસી અને પોતે જ્ઞાતા થઈ પેલી વસ્તુની સામું જ્ઞેય રૂપે જુએ. એટલે એ પ્રકૃતિ ધીમે ધીમે ઓગળ્યા કરે. એટલે બધી પ્રકૃતિ અહીં ખલાસ થાય એવી છે. એનું નામ આત્મધર્મ ! ઉદય ને અસ્ત ! એમાં મંદિરમાં દર્શન કરવાનો ઉદય આવ્યો. હું મંદિરમાં દર્શન કરું છું કે હું આમ કરું છું એવું બધું તમારે જોવાનું હોય નહીં. તમારે તો ચંદુભાઈ શેના દર્શન કરે છે એ બધું જોયા કરવાનું. અને એ ઉદય પૂરો થયો, એ અસ્ત થઈ ગયો. એ જોયા કરવાનું બધું. એનું નામ આત્મધર્મ, સ્વભાવધર્મ ! એ જ આજ્ઞા આપણી. શરીર શું કરે છે, તે તમારે જોયા કરવાનું. એની જવાબદારી તમારી નહીં. પોતાની તબિયત સારી છે કે નહીં, એવું પોતે જાણે, માટે શરીરથી પોતે જુદો છે કે નહીં, એની ખાતરી થાય છે. પહેલાં સારી રહેતી હતી તેને ય જાણે. સારી રહેતી નથી તેને ય જાણે. હવે સારી છે એને ય જાણે. બધું જ જાણે. આપણું વિજ્ઞાન બહુ સુંદર છે, આ જો કદી સમજી લઈએ તો. ઉદયના જ્ઞાતા-દ્રષ્ટા, ત્યાં નિવર્તે અસહજતા ! જે ઉદય સ્વરૂપ હોય તેમાં ડખલ કરશો નહીં, ઉદયને જાણો. આપણું જ્ઞાન એવું કહે છે. એટલે શું કે 'ચંદુભાઈ' ઉદયમાં રહે અને 'તમારે' એને જોયા કરવાનું. ચંદુભાઈ તો જે ઉદય હોય તેમાં જ તન્મયાકાર રહે, એને આઘુંપાછું કરવાની જરૂર નથી. એને ઉદય શેનો આવશે ? જેનું પૂરણ કર્યું છે તેનું ગલન થયા કરશે. નવું પૂરણ થવાનું નથી. માટે જૂનું જે પૂરણ કરેલું છે તે ગલન થયા કરશે. તેનો જે ઉદય આવે તે ઉદયમાં 'ચંદુભાઈ' રહે અને 'તમારે' એને જોયા કરવાનું. આટલું જ કામ કરવાનું છે. તમે એને જોયા કરો એટલે આત્મા સહજ થયો અને ચંદુભાઈ ઉદયમાં રહે એટલે દેહ સહજ થઈ ગયો, પુદ્ગલ સહજ થઈ ગયું કહેવાય. એટલે અહીં બધા ગાતા હોય ત્યારે આપણે ચંદુભાઈને કહેવું કે ગાવા લાગો. બધા કૂદતા હોય ત્યારે ચંદુભાઈએ કૂદવાનું અને તમારે એને જોયા કરવું. આ બધું આપણું વિજ્ઞાન છે. પહેલાં જે જે રાગ-દ્વેષ કર્યા હોય, કંઈ જોયું હોય અને આપણને ગમતું ના હોય, કંટાળો આવે, તે મહીં પરમાણુ ભરેલા હોય તે આમ જોઈએ, એટલે એ બધું ઊડી જાય અને આ બધા અભિપ્રાય તૂટી જવા જોઈએ કે આ ખોટું છે ને આ ખરું છે. એટલે જે ઉદય આવે એમાં ભળવું, પણ ચંદુલાલ એમાં ભળે અને આપણે જોયા કરવું. એટલે આમ બેઉ પોતપોતાના કામમાં રહ્યા કરે. ઉદયના 'જ્ઞાતા' થયા એટલે ઉકેલ આવે, ને ઉદયના 'ભોક્તા' થયા એટલે માર પડે. હકીકતમાં ઉદય 'પોતાનો' હોતો જ નથી. મોક્ષે જતાં કોઈ ક્રિયાની જરૂર નથી. પણ ઉદયમાં આવેલી ક્રિયાઓને આત્મસ્વભાવમાં રહીને જાણ ! અસહજ : સહજ હવે અસહજ શાથી હતો ? પહેલાં તો તન્મયાકાર થઈને 'હું જ કરું છું અને હું જ જાણું છું' બોલતો હતો. કર્તા એ હતો કે 'મેં આ કર્યું' અને જ્ઞાતા-દ્રષ્ટા કે 'આ મેં જાણ્યું.' એમ બેઉ હતું. અલ્યા એ બે ધારાઓ જુદી છે ને પાછી એક જ કરી નાખી ? ભેગી કરી નાખી ? કર્તાપદની ધારા જુદી છે અને જ્ઞાતાપદની ધારા જુદી છે. એ બે આ લોકોએ ભેગી કરી. તે કેવો સ્વાદ આવે ? આ સંસારનો સ્વાદ કેવો આવે છે ? બે ધારા ભેગી થઈને, એટલે કસાયેલો સ્વાદ આવે છે, બેભરમો સ્વાદ આવે છે અને બે ધારા જુદી થાય તો બન્ને ય મીઠું લાગે. હવે જુદી થવી, એનું નામ સહજ. સહજ એટલે જો એમ જોવા જાય તો આ વાળ ઊગે છે તે ય સહજ છે. આ દાઢી થાય છે એ ય સહજ છે. પણ એ એવી પણ ગણતરી નથી. સહજ એટલે શું કહેવા માગે છે કે અસહજ થયેલું છે એ જો સહજ થાય, એની એ જ ક્રિયા પાછી થાય અને આપણને કંઈ વગર મહેનતે થાય ત્યારે આપણે જાણીએ કે ઓહોહો આ તો સહજ થઈ ગયું. નહીં તો સહજ સ્વરૂપે ના થાય. એ ય ચાનો પ્યાલો લાવ્યો ને લઈ ગયો ને મેલ્યો ને કર્યો. તે અત્યારે ય બધું થાય. પણ તે ચંદુભાઈ કરે. તમારે શું લેવા-દેવા ? ચંદુભાઈને તમે જાણો છો કે ચંદુભાઈએ આ કર્યું ને તે કર્યું. ડખલ બંધ ત્યાં પ્રકૃતિ સહજ ! પ્રશ્નકર્તા : જ્ઞાનીઓની સહજ પ્રકૃતિ કોને કહેવાય ? દાદાશ્રી : વિચાર આવે અને અસર ના કરે, તો પ્રકૃતિ સહજ કહેવાય. પ્રશ્નકર્તા : પ્રકૃતિ સહજ કેવી રીતે થાય અને ક્યારે થાય ? દાદાશ્રી : ચારિત્રમોહમાં ડખલ ના કરીએ, તો પ્રકૃતિ સહજ થતી જાય. 'દરઅસલ' આત્મા તો સહજ છે જ. પણ પ્રકૃતિ સહજ થાય એટલે મોક્ષ થાય. જ્ઞાનદશાની સહજતામાં તો, આત્મા જો આનો જ્ઞાતા-દ્રષ્ટા રહે તો જ એ સહજ થાય. ને એમાં સળી કરી કે પાછું બગડ્યું. 'આવું હોય તો સારું, આવું ના હોય તો સારું.' એમ ડખલ કરવા જાય કે અસહજ થાય. પ્રકૃતિ પર કંટ્રોલ કરે કોણ ? પ્રશ્નકર્તા : પ્રકૃતિ ઉપર કંટ્રોલ આવતો નથી. બાકી શુધ્ધાત્મભાવ બરોબર રહે છે. દાદાશ્રી : કંટ્રોલ કરવાનું તો પોલીસ-વાળાને સોંપી દેવું ! પ્રકૃતિ ઉપર કંટ્રોલ લાવવાનો નથી. કંટ્રોલ લાવવાનું શુભાશુભ માર્ગમાં હોય છે, તમારી પ્રકૃતિ ઉપર કંટ્રોલ કોણ લાવે હવે ? તમે માલિક નથી. તમે હવે 'ચંદુલાલ' નથી અને જે કરે છે તે બધું 'વ્યવસ્થિત' કરે છે. હવે તમે એમાં કેમનો કંટ્રોલ લાવશો ? પ્રશ્નકર્તા : દોષો દેખાય છે તે જશે ને ! દાદાશ્રી : જે દેખાવા માંડ્યા, એ તો ચાલ્યા જ ગયા જાણો ને ! જગતને પોતાના દોષ દેખાય જ નહીં. પારકાંના દોષ દેખાય. તમને પોતાના દોષ દેખાયા ને ? પ્રશ્નકર્તા : પોતાના દોષ દેખાય છે, પણ તે ટાળી શકાતાં નથી. દાદાશ્રી : ના, એવું કશું ના કરતા. એવું આપણે નથી કરવાનું. આ વિજ્ઞાન છે. આ તો તમારે 'ચંદુલાલ' શું કરે છે, એ તમારે જોયા કરવાનું. બસ, આટલું જ તમારે કરવાનું. બીજું તમારે કશું કામ જ નહીં. ચંદુલાલના ઉપરી તમે. ચંદુલાલ તો 'વ્યવસ્થિત'ના તાબે છે. 'વ્યવસ્થિત' પ્રેરણા આપે ને ચંદુલાલ ભમરડાની પેઠે ફર્યા કરે ! અને ચંદુલાલની બહુ મોટી ભૂલ હોય ત્યારે તમારે કહેવાનું કે 'ચંદુલાલ ! આવું કર્યે નહીં પોસાય.' આટલું આપણે કહેવું ! પ્રકૃતિની પજવણી પ્રશ્નકર્તા : મોક્ષ અનુભવાય છે, પણ પ્રકૃતિ એનો સ્વભાવ છોડતી નથી. તેનો કંટાળો આવે છે. દાદાશ્રી : પ્રકૃતિ એનો સ્વભાવ છોડે જ નહીં ને ? ઘર આગળ સરકાર ચોગરદમ ગટર ખોલે તો ? ગટર એનો ગુણ આપે કે ના આપે ? પ્રશ્નકર્તા : આપે. દાદાશ્રી : તે ઘડીએ તમારે કઈ દ્રષ્ટિએ રહેવું પડે ? પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા. દાદાશ્રી : આપણે એશઆરામ કરવા જઈએ તો ગંધ આવે. એટલે જ્ઞાતા-દ્રષ્ટા જ રહેવું. પ્રકૃતિમાં ગટરો-બટરો આવે, ત્યારે તેમાં જાગૃત રહેવું. પ્રશ્નકર્તા : 'આપણે' 'પાડોશી'ને 'જોયા' કરીએ અને તેને વાળીએ નહીં, તો એ કેમ ચાલે ? એ દંભ ના કહેવાય ? દાદાશ્રી : આપણને વાળવાનો શો અધિકાર ? ડખલ કરવાની નહીં. એ કોણ ચલાવે છે, એ જાણો છોને ? આપણે ચલાવતા નથી, આપણે વાળતા ય નથી. એ 'વ્યવસ્થિત'ને તાબે છે. તો પછી ડખો કરીને શું કામ છે ? જે આપણો 'ધર્મ' નથી, તેમાં ડખો કરવા જઈએ તો પરધર્મ ઉત્પન્ન થાય ! પ્રશ્નકર્તા : અમને આ ભવે જ જ્ઞાનથી જ અવળું વર્તન 'સ્ટોપ' થઈ જશે કે નહીં ? દાદાશ્રી : થઈ ય જાય ! 'જ્ઞાની પુરુષ'ના કહ્યા પ્રમાણે કરે તો પાંચ-દસ વર્ષમાં થઈ જાય. અરે, વરસ દહાડામાં ય થઈ જાય ! 'જ્ઞાની પુરુષ' તો ત્રણ લોકનો નાથ કહેવાય. ત્યાં આગળ શું ના થાય ? કશું બાકી રહે ખરું ? આ દાદા પાસે બેસીને બધું સમજી લેવું પડે. સત્સંગ માટે ટાઈમ કાઢવો પડે. પુરુષપદનો પુરુષાર્થ ! કામ કરી લેવા જેવો વખત છે અને આ રીતે જો કરવાનું આવે તો ઘણું કામ નીકળી જાય એવું છે. આમાં પોતે પુરુષ થયો અને પ્રકૃતિ જુદી પડી ગઈ. એટલે જેટલો પુરુષાર્થ કરવો હોય એટલો થાય એવો છે. પ્રશ્નકર્તા : પુરુષાર્થ જે આમ ધગશવાળો થવો જોઈએ એવો ના થાય. આમ સહેજાસહેજ રહે એ ખરું. અને પેલી બાજુ બગડે તો આમ વાળી લે. પણ આપણા પુરુષાર્થથી આ બાજુ ખેંચી જાય એવું નથી. દાદાશ્રી : આ ધાણી ખાય તો તે જોઈ જોઈને લે. અરે પણ આમાં શું જુદું હોય ? શેની ઉપર મરચું વધારે લાગેલું છે તે ખોળે. એનું નામ પ્રકૃતિ. પ્રકૃતિને સંપૂર્ણ પ્રકારે જાણે, ત્યારે ભગવાન થાય. જ્ઞાતા ના થાય એટલે પ્રકૃતિને જાણે નહીં. જો પ્રકૃતિમય થાય એટલે જાણે નહીં. ત્યાંથી બંધ બધું. પ્રશ્નકર્તા : બટાકા ખાવાથી વાયુ થઈ જશે, ગેસ થશે એવું જે ખબર પડે એ પ્રકૃતિને જાણી કહેવાય ? દાદાશ્રી : એ જાણી ના કહેવાય. પ્રશ્નકર્તા : એ પારિણામિક ભાવ કહેવાય ? દાદાશ્રી : એ કશું ય નહીં. એનો અર્થ જ નહીં ને ? બધાય બોલે ને કે 'મારે તો બટાકા ખવાયા, તેથી વાયુ થઈ ગયો.' બટાકા ખાય ને વાયુ થઈ ગયો, ફલાણું ખાય ને ગરમ પડી ગયું, એ તો બધો ખાલી વ્યવહાર છે. જૂઠો વ્યવહાર છે. બિલકુલ સાચું ય નહીં. કારણ કે વાયુ શેના લીધે થયો, એ ભાન જ ના હોય. બટાકા તો ભેગા થયા પણ બીજા કેટલાંક સંજોગો ભેગા થાય ત્યારે વાયુ થાય. પ્રશ્નકર્તા : તો આ પેલું લાલ મરચાવાળું લીધું, તો એ કઈ રીતે જાણ્યું ? દાદાશ્રી : એ તો પ્રકૃતિનો સ્વભાવ આવો છે તે આવું લેશે આ, એ પહેલેથી ખબર પડે. લેનારને ય જાણે અને પોતાને ય જાણે, એનું નામ પ્રકૃતિ જાણી કહેવાય. પ્રકૃતિને જાણે તો છૂટો થાય તો ય પ્રકૃતિ તો રહેવાની પણ એનો જ્ઞાતા-દ્રષ્ટા રહે તો છૂટો. એટલે પુરુષ થયા પછી પુરુષાર્થ થાય તો સ્વતંત્ર થાય. જ્ઞાતા-દ્રષ્ટા, એ ખરો પુરુષાર્થ ! પ્રશ્નકર્તા : 'દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' જે બોલાવીએ, એ પુરુષાર્થમાં આવે ? દાદાશ્રી : પુરુષાર્થ જ ને ! મોટો પુરુષાર્થ આ, પોતાની પ્રકૃતિને જુદી જોવી એ ! પ્રશ્નકર્તા : આ જે બોલીએ તે પુરુષાર્થ છે અને પેલો જે જ્ઞાતા-દ્રષ્ટામાં રહેવા માટેનો પુરુષાર્થ, આ બેમાં ફેર પડે ખરો કે ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટાનો પુરુષાર્થ તો, એની વાત જ જુદી ને ! બાકી અત્યારે આ જ્ઞાતા-દ્રષ્ટા જે રહે છે ને, એ ખરેખર જ્ઞાતા-દ્રષ્ટાપણું નથી. એ તો એ માને છે એવું. એની નજીકમાં છે બધાય. આ વકીલો પ્લિડિંગ કરે છે, તે કહેશે, 'મેં બરોબર એક્ઝેક્ટ પ્લિડિંગ કરી છે.' એવું આ 'દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' બોલે ને, એ એક્ઝેક્ટ કર્યું કહેશે. અગર તો જ્ઞાતા-દ્રષ્ટા હું રહું છું તે 'મેં એક્ઝેક્ટ જ કર્યું છે.' કહેશે, પણ જ્ઞાતા-દ્રષ્ટા એક્ઝેક્ટ હોતું નથી. છતાં ઊંધું નથી એમાં ! પ્રશ્નકર્તા : આ જે કહે છે કે 'હું જ્ઞાતા-દ્રષ્ટા રહ્યો ? એ ઇન્દ્રિયો થકી જ્ઞાતા-દ્રષ્ટા રહે છે એવું તો નથી જ ને ? દાદાશ્રી : ઇન્દ્રિયોનું કરેલું કામનું ના કહેવાય. ઇન્દ્રિયો સિવાય, ઇન્દ્રિયાતીત હોવું જોઈએ. છતાં આપણે આમનું નભાવી લઈએ. બીજું તો નથી ને ! બીજું ઊંધું કરતો નથી ને ! બાકી એમાં ઘણું ખરું ઇન્દ્રિયોની હેલ્પ મહીં હોય છે. રહેવું આમ જ્ઞાતા-દ્રષ્ટા ! પ્રશ્નકર્તા : આપ કહો છો કે આ જ્ઞાતા-દ્રષ્ટા રહેવામાં ઇન્દ્રિયો થકી થોડી થોડી હેલ્પ થઈ જાય છે. તો એને બદલે પૂરેપૂરાં જ્ઞાતા-દ્રષ્ટામાં રહેવા માટે એને પોતાને શું પુરુષાર્થ કરવાનો રહે છે ? દાદાશ્રી : તો રવિવારને દહાડે તમારે 'આ ચંદુભાઈ શું શું કરે છે', પછી મહીં મન શું શું વિચારે છે, વાણી શું શું બોલે છે, બુદ્ધિ શું શું કરે છે ? આ બધાનાં જ્ઞાતા-દ્રષ્ટા થાવ. જ્ઞાતા એટલે વિગતવાર જાણવું. અને દ્રષ્ટા એટલે વિગતવાર જાણવામાં ના આવે અને ઝાંખું દેખવું. તેવું જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા તો કામ કાઢી નાખે. પ્રકૃતિ પણ પામે અંતે પ્રભુપદ ! 'જ્ઞાન' અને 'પ્રકૃતિ' બે જુદાં જ છે. પણ પ્રકૃતિ જ્યાં અંતરાય ત્યાં ઓબ્સ્ટ્રક્શન થઈ જશે, માટે ટોર્ચ નાખી જોઈ લેવું. પ્રકૃતિ ધર્મ શું કહે છે ? પ્રાકૃત ધર્મની રચના તો જુઓ ! મોટા મોટા જ્ઞાનીઓને પણ તેમાં રહેવું પડ્યું. પ્રાકૃત ધર્મ તો ઓળખવો જ પડશે. જ્ઞાતા-દ્રષ્ટા એકલો જ આત્માનો ધર્મ અને બીજા બધા જ પ્રાકૃત ધર્મ છે. આ પ્રાકૃત કેવું છે ? એક પ્રાકૃત નિર્ભય બનાવે, જ્યારે બીજું બિહામણું બનાવે. અનાદિનો પ્રકૃતિનો જ પરિચય છે. આ પ્રકૃતિને છેવટે ભગવાનરૂપે થવું પડશે. આ આપણું જ્ઞાન જ એવું છે કે પ્રકૃતિ ભગવાનરૂપે થઈ જાય ને પરમાનંદ વર્તાય ! ભગવાન મહાવીર તો આત્મા પ્રાપ્ત થયા પછી પ્રકૃતિ જ જોયા કરતા હતા. પ્રકૃતિનું સાયન્સ જો જો કરતા હતા કે આ સાયન્સ કેવું છે ?! બીજું કશું ભગવાન જોતા નહોતાં. ભગવાન તો એકલું પોતાનું પુદ્ગલ જ જોતા હતા. વીતરાગો કેવા હતા ? છેલ્લું તેમણે શું જોયેલું ? પોતાની જ પ્રકૃતિ જોયેલી. પોતાની જ પ્રકૃતિ જો જો કરતા હતા. પ્રકૃતિ સીધી ચાલે છે કે વાંકી ? તે જોયા કરતાં. બધે જ જ્ઞાતા-દ્રષ્ટા રહેતા. બીજાની પ્રકૃતિ જોવાથી જ આ સંસાર ઊભો થઈ ગયો છે. વીતરાગોએ માત્ર પોતાની જ પ્રકૃતિ જો જો કરેલી અને જે જોયા વગર છૂટકો જ નથી. કેવળજ્ઞાનની છેલ્લી નિશાની એ જ છે કે પોતાની જ પ્રકૃતિને જો જો કરે. .... એમાં ભળ્યા તો જોખમદારી ! ક્રોધ-માન-માયા-લોભ એ પુદ્ગલ ભાવ છે. એ વધે-ઘટે ને આત્માનો સ્વભાવ વધે નહીં, ઘટે નહીં એવો અગુરુ-લઘુ સ્વભાવ છે. એટલે ક્રોધ-માન-માયા-લોભ થાય એને 'આપણે' 'જોયા' કરવાના કે 'ઓહોહો ! આ વધ્યો, આ ઘટ્યો !' એટલે 'આપણે' છૂટા રહ્યાં, પછી 'આપણે' જોખમદાર નહીં. પુદ્ગલભાવમાં ભળ્યા એટલે તમારી જોખમદારી, તમે સહી કરી આપી. અને સહી ના કરી આપી, ભળ્યા નહીં એટલે છૂટ્યા, એવું ભગવાન કહે છે. પ્રશ્નકર્તા : આ પુદ્ગલ ભાવમાં ભળ્યા કે નહીં, એની પોતાને 'એક્ઝેક્ટલી' કેવી રીતે ખબર પડે ? દાદાશ્રી : મોઢું બગડી જાય, મન બગડી જાય, બધી અસર થઈ જાય. છતાં ય અસર થાય તો ય 'આપણે' છૂટાં રહી શકાય છે. તે તમને 'પોતાને' એકલાંને જ ખબર પડે. પુદ્ગલભાવમાં ભળતાંની સાથે જ મહીં બે-ચાર દંડા વાગે એટલે તરત ખબર પડી જાય કે આ 'આપણી' બાઉન્ડ્રી ઓળંગી. 'જોવું' 'જાણવું' છે જ્યાં, પરમાનંદ પ્રગટે છે ત્યાં ! પ્રશ્નકર્તા : શુધ્ધાત્માનું લક્ષ નિરંતર રહે છે, છતાં ઘણી વખત મન 'ડીપ્રેસ' થઈ જાય છે, તેનું શું કારણ ? દાદાશ્રી : આપણું જ્ઞાન તો શું કહે છે કે 'ચંદુભાઈ'ને શું થાય છે તે જોયા કરો. બીજો કોઈ ઉપાય જ નહીં ને ? વધારે કચરો ભરી લાવ્યો છે, તેવી આપણને ખબર પડી જાય ને ? પ્રશ્નકર્તા : તે વખતે જ્ઞેય-જ્ઞાતાનો સંબંધ રહેતો નથી. અને 'આ મન-વચન-કાયાથી હું જુદો જ છું' એવું તે વખતે નથી રહેતું. દાદાશ્રી : એ જ્ઞેય-જ્ઞાતાનો સંબંધ ના રહે, તો તને ખબર જ ના પડે કે આ ચંદુભાઈનું જતું રહ્યું છે ! આ ખબર કોને પડે છે ? માટે આ તો તદ્દન જુદું રહે છે તને ! મિનિટે મિનિટની ખબર પડે. પ્રશ્નકર્તા : પણ ખબર પડ્યા પછી એ બંધ થઈ જવું જોઈએ ને ? અને પાછું આત્મા તરફ વળી જવું જોઈએ ને ? દાદાશ્રી : એ વળ્યું વળે એમ નથી. તમે શું વાળો એવાં છો ? પ્રશ્નકર્તા : એટલે દાદા, આ રીતે 'મશીનરી' અવળે રસ્તે ચાલ્યા જ કરે ને આપણે એને જોયા જ કરવાનું ફક્ત ? દાદાશ્રી : ત્યારે બીજું શું કરવાનું ? અવળો રસ્તો ને સવળો રસ્તો બેઉ રસ્તા જ છે, એને જોયા કરવાનું. પ્રશ્નકર્તા : પણ અવળે રસ્તે આખો ભવ નકામો જાય ને ? દાદાશ્રી : પણ તેમાં આમ કકળાટ કરો તો શું થાય ? એને 'જોયા કરવું' એ જ પુરુષાર્થ છે. પુરુષાર્થની સમજણ નહીં પડવાથી તમે ગૂંચાઈ જાવ છો. આ તો ખાલી 'સફોકેશન' જ છે. પ્રશ્નકર્તા : છેવટે પછી કંટાળો આવે છે કે આ બધું શું થાય છે ? દાદાશ્રી : કંટાળો આવે તો ચંદુભાઈને આવે. 'આપણને' ઓછો આવે છે ? અને આપણે ચંદુભાઈને ઠપકો આપવો. એની પાસે સાંજે પ્રતિક્રમણ કરાવડાવવું. આત્માનો સ્વભાવ એવો છે કે આટલું ય જાણ્યા વગર રહે નહીં. શું શું થયું તે બધું જ એ જાણે ! આ બહારના બીજા કોઈ કેમ ફરીયાદ કરવા નથી આવતાં કે મને આજે આવું થાય છે, તેવું થાય છે ? પ્રશ્નકર્તા : એમને સમાધિ રહેતી હશે ? દાદાશ્રી : આત્મા પ્રગટ છે જ નહીં ત્યાં પછી સમાધિ શી રીતે થાય ? અહંકાર જ કામ કર્યા કરતો હોય ત્યાં આત્મા પ્રગટ જ નથી. તમારે તો આત્મા પ્રગટ થઈ ગયો છે ! તેથી આ બધી ખબર પડે છે. નહીં તો બીજો કોઈ કેમ આવું બોલતો નથી ? પ્રશ્નકર્તા : પછી પોતાનો પરમાનંદ, પોતાનું અનંત સુખ, એ ના જવું જોઈએ ને ? દાદાશ્રી : પણ આ અંતરાયો આવે એટલે સુખ ઊડી જાય. પ્રશ્નકર્તા : કયા અંતરાયો, દાદા ? દાદાશ્રી : આ ધંધા પર તું જાય, ત્યાં ચંદુભાઈ શું શું કરે છે, તેને 'તું' બરોબર 'જોઉં' નહીં એટલે બધું તૂટી જાય. બધું જો પદ્ધતિસર થતું હોય તો કશું ના થાય. પ્રશ્નકર્તા : 'જોઉં' નહીં એટલે શું ? દાદાશ્રી : તું એને 'જાણે' છે ખરો, પણ 'જોતો' નથી ને ! પ્રશ્નકર્તા : આપણે જોઈએ ને જાણીએ તો શું થઈ જાય પછી ? દાદાશ્રી : 'જાણવું' અને 'જોવું', એ બે ભેગું થાય ત્યારે પરમાનંદ થાય. પ્રશ્નકર્તા : 'જાણવું' અને 'જોવું', એ કઈ રીતે હોય ? દાદાશ્રી : તને આખાં ચંદુભાઈ દેખાય. 'ચંદુભાઈ શું કરે છે' તે બધું જ દેખાય. ચંદુભાઈ ચા પીતાં હોય તો દેખાય, દૂધ પીતાં હોય તો દેખાય, રડતાં હોય તો દેખાય. ગુસ્સે થયા હોય તે ય દેખાય, ચિઢાતા હોય તો તે ય દેખાય, ના દેખાય ? આત્મા બધું જ જોઈ શકે. આ તો 'જાણવું' અને 'જોવું' બેઉ સાથે થતું નથી, તેથી પરમાનંદ તને ઊભો થતો નથી. પ્રશ્નકર્તા : 'જાણવું' ને 'જોવું', એ બેઉ કેવી રીતે થઈ શકે ? દાદાશ્રી : એનો આપણે અભ્યાસ પાડીએ એટલે થાય. દરેક બાબતમાં ઉપયોગ રાખીએ, ઉતાવળ કે ધાંધલ ના કરીએ, વખતે ગાડીમાં ચડતી વખતે ભીડ હોય તો ભૂલચૂક થઈ જાય ને 'જોવાનું' રહી જાય, તો તેને 'લેટ ગો' કરીએ. પણ બીજે બધે તો રહી શકે ને ?! વાત જ સમજવાની છે ! સવારથી ઉઠ્યા ત્યારથી જ પુદ્ગલ એનાં પરિણામમાં હોય અને આત્મા એનાં પરિણામમાં હોય. પણ જો કદી મન વધારે સ્પંદન કરતું હોય અને એમ કહ્યું કે, મને આમ કેમ થાય છે ? એટલે એ ભૂત વળગ્યું પાછું ! એટલે 'આપણે' એને જોયા કરવાનું અને જાણવાનું કે અત્યારે તોફાન જરાં વધારે છે. ૬૫ માઇલની સ્પીડે પવન આવે તેથી કરીને કંઇ ઘરબાર છોડીને નાસી જવું ? એ તો આવ્યા જ કરવાના. મોક્ષમાર્ગે જતાં સુધી તો બહુ બહુ વાવાઝોડાં આવે, પણ એ કશું બાધક નથી. જેને આ બહારનાં પરપરિણામ ગમતાં નથી, 'યુઝલેસ' લાગે છે ને તેને પોતાનાં સ્વપરિણામ માનતો નથી તે જ આત્માની હાજરી છે. તે જ સ્વપરિણામ છે. વાત જ સમજવાની છે. કર્મ છે તે પુદ્ગલ સ્વભાવનાં છે. એ એનાં પરપરિણામ બતાવ્યાં જ કરશે. આપણે શુધ્ધાત્મા એ સ્વપરિણામ છીએ. પરપરિણામ 'જ્ઞેય સ્વરૂપ' છે અને પોતે 'જ્ઞાતા સ્વરૂપે' છે. જે કાયમનો અસ્થિર સ્વભાવનો છે, તેને લોક સ્થિર કરવા પ્રયત્ન કરે છે. દ્રષ્ટા કે જે કાયમ સ્થિર જ છે, તેના તરફ દ્રષ્ટિ પડે તો બધું જ સ્થિર થઈ જાય ! આપણું 'જ્ઞાન' જ્ઞેયોમાં ફર્યા કરે છે. એ જ 'જ્ઞાન' જ્ઞાતામાં પડે તો 'પોતાનું' થઈ જાય. જ્યાં દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે, જ્ઞાન જ્ઞાતામાં પડે ત્યારે સાક્ષાત્કાર થાય. આત્મજ્ઞાન કોને કહેવાય કે, જે 'જ્ઞાન' 'જ્ઞેય'માં પરિણમતું હતું, તે 'જ્ઞાન' 'જ્ઞાતા'માં પરિણામ પામે. જ્યારે દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે ત્યારે આત્મજ્ઞાની કહેવાય અને જ્ઞાન જ્ઞાતાની મહીં પડી જાય એટલે નિર્વિકલ્પ થઈ ગયો ! દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે અને જ્ઞાન જ્ઞાતામાં પડે ત્યારે 'નિર્વિકલ્પ સમાધિ'નું સુખ આવે ! 'પોતે' નિરંતર જ્ઞાતા-દ્રષ્ટાપદમાં રહેતો હોય તે 'જ્ઞાની'. સાચું ચારિત્ર એટલે જ્ઞાતા-દ્રષ્ટા ભાવ ! 'પોતે' 'પોતાને' જોયા કરો ! એટલે તમારે કયા પદમાં આવવાનું છે ? 'ચંદુભાઈ' હરતા-ફરતા દેખાય. તમને ચંદુભાઈનું આખું શરીર દેખાવું જોઈએ, બહારનો ભાગ દેખાવો જોઈએ. જ્યારે બહારનો ભાગ જુદો દેખાય એટલે વીતરાગ થવા માંડે. પછી સંપૂર્ણ વીતરાગ ! પ્રશ્નકર્તા : આ બરાબર નથી સમજાતું. એ બરોબર સમજાવો. દાદાશ્રી : છેલ્લું જ્ઞાતા-દ્રષ્ટા તો, ચંદુભાઈ આવતાં-જતાં હોય તો તમને દેખાય કે ઓહો, આવો ચંદુભાઈ.... ! વાત કરતાં હોય તો ય તમને જુદા દેખાય. પ્રશ્નકર્તા : આકૃતિથી દેખાય કે સમજથી દેખાય ? દાદાશ્રી : પહેલું સમજણથી જુદું દેખાય. પછી ધીમે ધીમે આકૃતિ દેખાય. હરતાં-ફરતાં જેમ આ ભાઈ જતાંં હોય એવાં જુદા દેખાય. આ ભાઈ આવતાં-જતાં હોય એ સમજથી દેખાય છે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : એવું દેખાય. એ જ્ઞાતા-દ્રષ્ટાપણું ! એટલો આત્મા જુદો છે. પ્રશ્નકર્તા : આપે કહ્યું ને, કે આ ચંદુભાઈ જુદા દેખાય, હરતા-ફરતા એવું હોવું જોઈએ. એમાં દ્રષ્ટા તો 'ચંદુભાઈ'ની અંદર જ હોય ને ? દાદાશ્રી : ત્યારે જ જોવાનું ને ! 'ચંદુભાઈ'ની અંદર હોય છતાં ય એને દેખાય જુદાં. પણ એ છેલ્લું પદ છે. અત્યારે તમારે તો આ મેં કહ્યું છે એટલું જાવ તો ય બહુ થઈ ગયું. એ સ્ટેશને ગયા એટલે બીજાં બધાં સ્ટેશન ભેગા થઈ જશે. અંતઃકરણ ઉપર જાગૃતિ ! તમને દેખાય છે આ ફાઈલ નંબર વન જુદી ? હરતી-ફરતી, એનું મોઢું સાથે દેખાવું જોઈએ. હરતી-ફરતી ખાયા કરતી હોય ને, તો આપણે કહીએ, 'ઓહો ખા ખા કરી રહ્યા છો ?' હવે આ સ્થિતિએ ના પહોંચાય ત્યાં સુધી આપણે 'મન શું કરી રહ્યું છે, બુદ્ધિ શું કરી રહી છે, એ બધું જોયા કરવું. અહંકાર શું કરી રહ્યો છે,...' એટલું કરો, તો બહુ થઈ ગયું. આત્મા, એ બધાને જાણનાર ! પ્રશ્નકર્તા : કાલે ચંદુલાલ રડતા હતા, તો એ દેખાય કે આ ચંદુલાલ રડે છે. પણ અંદરથી 'દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' ચાલુ હતા. તો એ ચંદુલાલને કોણ જોતું'તું ? અને 'અસીમ જય જયકાર હો' કોણ બોલતું હતું ? દાદાશ્રી : એ તો અંદર રેકર્ડ ચાલુ જ હોય છે, એટલે એ બોલ્યા કરે. અને ચંદુલાલ જે કરી રહ્યા છે, એને જોનાર બુદ્ધિ છે. પ્રશ્નકર્તા : તો પછી શુધ્ધાત્મા શું કરે છે ? દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા ! આ બધાને જે જાણે છે, એ જ્ઞાતા-દ્રષ્ટા. આ બધાને 'એટ એ ટાઈમ' જાણે છે તે શુધ્ધાત્મા. આ મહીં વાગે છે તેને ય જાણે એ. પ્રશ્નકર્તા : ચંદુલાલને જે જુએ છે એ બુદ્ધિ. દાદાશ્રી : ચંદુલાલને જુએ છે એ તો બુદ્ધિ. અને બુદ્ધિને જુએ છે એ આત્મા, શુધ્ધાત્મા ! બુદ્ધિ શું કરી રહી છે, મન શું કરી રહ્યું છે, અહંકાર શું કરી રહ્યો છે, એ બધાને જાણનાર એ આત્મા. દર્શન - જ્ઞાન - ચારિત્ર ! પ્રશ્નકર્તા : 'બુદ્ધિ શું કરે છે' એ શુધ્ધાત્મા જુએ છે, તો એ જ્ઞાતા-દ્રષ્ટા તરીકે બુદ્ધિને જુએ છે ? દાદાશ્રી : એ બુદ્ધિને જુએ, મન શું કરે છે તે જુએ, અહંકાર શું કરે છે એ જુએ. પ્રશ્નકર્તા : એ જ્ઞાતા-દ્રષ્ટા છે ને, ત્યાં ? દાદાશ્રી : હા, બસ એ જ. પ્રશ્નકર્તા : શુધ્ધાત્મા પછી પરમાત્મા પદ ? દાદાશ્રી : એ જ પરમાત્મા છે. પણ આ અહીં આગળ કેવળજ્ઞાન થયું નથી. એ કેવળ-જ્ઞાન થઈ ગયું, તો થઈ ગયો પરમાત્મા. પ્રશ્નકર્તા : જે દર્શન છે એ ધીમે ધીમે જ્ઞાનમાં આવતું જાય. એમ ધીમે ધીમે કેવળજ્ઞાન વધતું જાય ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : એમ ધીમે ધીમે પરમાત્મા થતો જાય ? દાદાશ્રી : પરમાત્મા થાય. પણ અત્યારે એ પરમાત્મા કહેવાય નહીં. પ્રશ્નકર્તા : એ ચારિત્રમાં આવે એટલે જ્ઞાનમાં આવ્યું કહેવાય ? દાદાશ્રી : જ્ઞાનમાં આવે એટલે ચારિત્રમાં પછી આવે. માત્ર જોયા કર ! 'પોતાના' પ્રદેશમાં માત્ર 'જોવા-જાણવા પણું' જ છે, બીજું કશું જ નથી, પરમાત્મપણું છે ! 'જોવા-જાણવાપણા'થી આગળ ગયા એટલે મુશ્કેલી. 'એક્ઝેક્ટનેસ'માં આવવાનું છે. એમાં 'રિયલ' પણ સાચું છે ને 'રિલેટિવ' પણ સાચું છે. 'રિલેટિવ' જ્ઞેય સ્વરૂપ છે 'જ્ઞેય-જ્ઞાતા' સંબંધ આવ્યો એ જ 'એક્ઝેક્ટનેસ'. 'એક્ઝેક્ટ-નેસ'માં તો જીવતા જ મોક્ષ અનુભવાય. સામો હાર પહેરાવે કે ગાળો દે તો ય 'એક્ઝેક્ટનેસ'માં બેઉ જ્ઞેય છે એટલે એને કંઈ જ ના થાય. જગત જ્ઞેય, પોતે જ્ઞાતા ! આખા જ્ઞાનનું સરવૈયું શું કહે છે ? જો તું 'રિયલ' જાણીને બેઠો હોય તો 'રિલેટિવ' તો 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે. માટે તું જોયા કર. કશું જ તું કરીશ નહીં. જે થતું હોય તે થવા દે, જે ના થતું હોય તે ના કરીશ, માત્ર જોયા કર. 'જાણવા' જેવું એકલું 'રીલેટિવ' જ છે. આ 'રિયલ' તો અમે તમને જણાવી દીધું છે ! હવે આ જગત આખું 'જ્ઞેય' સ્વરૂપે છે અને તમે 'જ્ઞાતા' છો. તમને 'જ્ઞાયક' સ્વભાવ ઉત્પન્ન થયો છે. પછી હવે બાકી શું રહ્યું ?! 'જ્ઞાયક' સ્વભાવ ઉત્પન્ન થયા પછી 'જ્ઞેય'ને જોયા જ કરવાનું છે ! જય સચ્ચિદાનંદ |
---|