પરોપકાર, સેવા : માનવધર્મ સંપાદકીય મનુષ્યપણાનું જીવન તો બધા જીવી જ રહ્યા છે. જન્મ્યા, ભણ્યા, નોકરી કરી, પરણ્યા, બાપા બન્યા, દાદા બન્યા ને ઠાઠડીમાં ગયા. જીવનનો આ જ ક્રમ હશે ? આવી રીતે જીવન જીવવાનો હેતુ શો ? શા માટે જન્મ લેવો પડે છે ? જીવનમાં શું એચિવ કરવાનું છે ? માનવદેહ મળ્યો તે પોતે માનવધર્મમાં હોવો જોઈએ, માનવતા સહિત હોવો જોઈએ, તો જીવન ધન્ય બન્યું કહેવાય. માનવતાની વ્યાખ્યા પોતાની જાત ઉપરથી જ નક્કી કરવાની છે. મને કોઈ દુઃખ આપે તો મને નથી ગમતું, તો મારે કોઈને દુઃખ ન આપવું જોઈએ. આ સિદ્ધાંત જીવનના દરેક વ્યવહારમાં જેને ફીટ થઈ ગયો, તેને પૂરી માનવતા આવી ગઈ. કોઈ ગમે તેટલો અપકાર કરે છતાં એની મુશ્કેલીમાં પોતે ઉપકાર કરે તો એ દૈવીગુણ કહેવાય, સુપર હ્યુમન કહેવાય. આમ માનવતાથી આગળ પ્રગતિ માંડવી હોય તો જીવન પરોપકારમાં વાળી દેવું જોઈએ. એથી આગળની પ્રગતિમાં તો પોતે પોતાની સેવા કરે, તેમાં પોતાનું સેલ્ફ રિયલાઈઝેશન પ્રાપ્ત કરે, તો મનુષ્યપણામાં જીવનમુક્ત દશાને પામે. એથી ઉપર પછી આ જીવનમાં કંઈ જ પ્રાપ્તિ બાકી રહેતી નથી ! સેવા કોની કરવી ને તેના પરિણામે શું પ્રાપ્તિ થાય, તે પૂજ્ય દાદાશ્રી એક જ વાક્યમાં કહે છે કે મા-બાપની જે છોકરાઓ સેવા કરે, તેને કોઈ દહાડો ય પૈસાની ખોટ આવે નહીં, એની જરૂરિયાત બધી મળી આવે અને ગુરુની સેવા કરે એ મોક્ષે જાય ! પ્રસ્તુત સંકલનમાં દાદાશ્રીએ તમામ દ્રષ્ટિકોણથી જીવનનો ધ્યેય કેવી રીતે સિદ્ધ કરવો, જેમાં માનવતા, સેવા, પરોપકાર સહિત હોય, તેની સમજ સરળ-સચોટ દ્રષ્ટાંતો દ્વારા ફીટ કરાવે છે, જે ધ્યેય રૂપે વણી લઈએ તો મનુષ્યપણાની સાર્થકતા થઈ કહેવાશે ! દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ માનવતાનો ધ્યેય ! પ્રશ્નકર્તા : મનુષ્ય જીવનનું ધ્યેય શું છે ? દાદાશ્રી : માનવતાના ફિફટી પરસેન્ટ આવવા જોઈએ. જે માનવ ધર્મ છે, એમાં ફિફટી પરસેન્ટેય માર્ક આવવા જોઈએ. એ માનવ જીવનનો ધ્યેય. અને જો ઊંચો ધ્યેય ધરાવતો હોય, તેને નાઈન્ટી પરસેન્ટ માર્ક આવવા જોઈએ. માનવતાના ગુણો તો આવવા જોઈએને ? જો માનવતા જ નથી, તો માનવનો ધ્યેય જ ક્યાં રહ્યો ? આપને માનવતા બહુ જોવામાં આવે છે બધે ? પ્રશ્નકર્તા : કોઈ જગ્યાએ જોવામાં આવે ને કોઈ જગ્યાએ જોવામાં ના ય આવે. દાદાશ્રી : કોઈ મનુષ્યમાં પાશવતા જોવામાં આવે છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એવી પાશવતા જોવામાં આવે ત્યારે તમે શું કરો છો ? એ શીંગડાં ઉગામે ત્યારે આપણે ના સમજીએ કે આ પાડો છે, તે શીગડાં મારવા આવે છે ! ત્યારે આપણે ભાગી જવું જોઈએ. આ પાડો તો રાજાને ય ન છોડે. સામો જો રાજા આવતો હોય તો ય પણ ભેંસના ભઈ તો એમ છે તે મલકાતા જ હેંડતા હોય ! રાજાને ફરવું પડે પણ એ ના ફરે. એ સંત સમાગમથી આવે ! પ્રશ્નકર્તા : હવે મનુષ્યનો જે ધ્યેય છે, એ ધ્યેય પ્રાપ્ત કરવા માટે શું કરવું અનિવાર્ય છે અને કેટલા સમય સુધી ? દાદાશ્રી : માનવતામાં શું શું ગુણો છે અને કેવી રીતે એ પ્રાપ્ત થાય એ બધું જાણવું જોઈએ. જે માનવતાના ગુણો ધરાવતા હોય એવા સંત પુરુષ હોય ત્યાં જઈને તમારે બેસવું જોઈએ. આ છે ખરો માનવ ધર્મ ! પ્રશ્નકર્તા : તો માનવ ધર્મ શું છે ? દાદાશ્રી : કોઈ મનુષ્યને આપણા નિમિત્તે દુઃખ ના થાય, બીજા જાનવરની વાત જવા દો પણ મનુષ્યો એકલાનું સાચવે કે એને મારા નિમિત્તે દુઃખ ન જ થવું જોઈએ, એટલો જ માનવ ધર્મ છે. બાકી, ખરી રીતે તો માનવ ધર્મ કોને કહેવાય છે ? તમે શેઠ હો અને નોકરને તમે ખૂબ ટૈડકાવતા હો, તે ઘડીએ તમને વિચાર આવવો જોઈએ કે હું નોકર હોઉં તો શું થાય ? આટલો વિચાર આવે તો તમે એને ટૈડકાવવાનું પદ્ધતિસરનું કહેશો, વધારે નહીં કહો. તમે કોઈનું નુકસાન કરતા હો, તો તે ઘડીએ તમને એમ વિચાર આવે કે હું સામાને નુકસાન કરું છું, પણ કોઈ મારું નુકસાન કરે તો શું થાય ? પછી કો'કના પંદર હજાર રૂપિયા, સો-સો રૂપિયાની નોટનું એક બંડલ, આપણને રસ્તામાંથી જડ્યું તો આપણા મનમાં એમ થાય કે મારા આટલા રૂપિયા પડી જાય તો મને કેટલું દુઃખ થાય, તો આને કેટલું દુઃખ થતું હશે ? એટલે આપણે જઈને પેપરમાં જાહેર ખબર આપવી જોઈએ કે, 'ભાઈ, જાહેર ખબરના પૈસા આપી, માલસામાનનો પુરાવો આપીને તમારી વસ્તુ લઈ જાવ.' બસ, આટલી જ રીતે માનવતા સમજવાની છે. કારણ કે જેવું આપણને દુઃખ થાય એવું સામાને દુઃખ થતું હશે, એવું આપણે સમજી શકીએને ! આવી રીતે તમને હરેક બાબતમાં આવા વિચાર આવવા જોઈએ. પણ અત્યારે આ માનવતા તો વિસારે પડી ગઈ છે ને ઊડી ગઈ છે ! તેનાં દુઃખ છે ને આ બધાં !! લોક તો એકલાં પોતાના સ્વાર્થમાં જ પડ્યા છે. એ માનવતા ન કહેવાય. પછી એથી આગળ માનવ ધર્મ એટલે શું ? કે સ્ત્રીને જોઈને આકર્ષણ થાય કે તરત જ વિચારે કે મારી બેનની ઉપર કોઈની નજર ખરાબ થાય તો શું થાય ? એમ વિચારે એનું નામ માનવધર્મ. એનું આવું ડેવલપમેન્ટ હોવું જોઈએ ને ! માનવતાની વ્યાખ્યા ! માનવતા એટલે મારું હું ભોગવું ને તારું તું ભોગવ. મારે ભાગે આવ્યું તે મારું ને તારે ભાગે આવ્યું તે તારું. પરાયામાં દ્રષ્ટિ ના કરે એ માનવતાનો અર્થ. પછી પાશવતા એટલે મારું એ ય મારું અને તારું એ ય મારું ! અને દૈવીગુણ કોને કહેવાય ? તારું એ તારું અને મારું એ ય તારું, પરોપકારી હોય એ પોતાનું હોય, તે ય બીજાને આપી દે. એવા દૈવીગુણવાળા હોય કે ના હોય ? આ છે માનવતાથી ય ઊંચો ગુણ ! એટલે માનવતાથી ઉપર 'સુપર હ્યુમન' કોને કહેવાય ? તમે દસ વખત આ ભાઈનું નુકસાન કરો તો ય એ ભાઈ તમારું કામ હોય તે ઘડીએ તમને 'હેલ્પ' કરે ! તમે ફરી એમને નુકસાન કરો તો ય તમારે કામ હોય તે ઘડીએ તમને હેલ્પ કરે, એમનો સ્વભાવ જ હેલ્પ કરવાનો છે. એટલે આપણે જાણવું કે આ ભાઈ એ 'સુપર હ્યુમન' છે. એ દૈવી ગુણ કહેવાય. એવાં તો કો'ક જ માણસ હોય. અત્યારે તો એવા માણસ મળે નહીંને ! કારણ કે લાખ માણસમાં એકાદ હોય એવું પ્રમાણ થઈ ગયું છે ! માનવતાની વિશેષ સમજ ! પ્રશ્નકર્તા : માનવતાના લક્ષણ વિશે જરા વિસ્તારથી સમજાવો. દાદાશ્રી : માનવતાની ગ્રેડ જુદી જુદી હોય. દરેક દેશમાં માનવતા છે ને તેનું ડેવલપમેન્ટના આધારે બધું ગ્રેડ હોય. માનવતા એટલે પોતાનું ગ્રેડ નક્કી કરવાનું હોય કે આપણે માનવતા લાવવી હોય તો મને જે ફાવતું હોય તો એ સામાના પ્રત્યે હું કરું. મને જે અનુકૂળ આવતું હોય, એ બીજાને માટે એવી જ રીતે અનુકૂળતા બતાવવી, એનું નામ માનવતા કહેવાય. એ સહુ સહુની માનવતા જુદી જુદી હોય. એટલે પોતાને જે અનુકૂળ આવ્યું એવું જ બધા પ્રત્યે અનુકૂળ રાખવું જોઈએ કે મને દુઃખ થાય છે, તો એને દુઃખ કેમ ના થાય ? આપણું કોઈ ચોરી જાય તો આપણને દુઃખ થાય છે, તો કોઈનું ચોરી કરતી વખતે આપણને વિચાર આવવો જોઈએ કે ના, કોઈકને દુઃખ થાય એવું કેમ થાય ? પછી કોઈક આપણું જૂઠું બોલતો હોય તો આપણને દુઃખ થાય છે તો આપણે પણ એવું વિચારવું જોઈએ. દરેક દેશનાં, દરેકે દરેક માણસનાં, માનવતાનાં ગ્રેડેશન જુદાં જુદાં હોય છે, આપને સમજાયું ને ? માનવતા એટલે પોતાને જે ગમે છે એવું જ બીજા જોડે વર્તન કરવું. આ ટૂંકી વ્યાખ્યા સારી છે. પણ દરેક દેશના લોકોને જુદી જુદી જાતનું જોઈએ. પોતાને અનુકૂળ ના આવ્યું હોય, એવું બીજા પ્રત્યે અવળું વર્તન નહીં કરવાનું. પોતાને અનુકૂળ આવે એવું જ વર્તન બીજા જોડે કરવાનું. તમારે ઘેર હું આવું તો તમે 'આવો, બેસો' એવું બોલો, તો મને ગમતું હોય તો મારે ઘેર કોઈ આવે તો મારે એને માટે 'આવો, બેસો' એમ બોલવું જોઈએ, એનું નામ માનવતા. પછી આપણે ઘેર કોઈ આવે ત્યારે આપણે એવું બોલીએ નહીં ને એની પાસે આશા રાખીએ, એ માનવતા ના કહેવાય. આપણે કોઈકને ઘેર ગયા હોય અને જમવાની આશા રાખીએ, પછી આપણે મહેમાન થઈને આવ્યા છીએ ને કેવો સારો ખોરાક લીધો, તો આપણે પણ વિચારવું જોઈએ કે આપણે ત્યાં મહેમાન આવે ત્યારે સારો ખોરાક, જેવું જોઈતું હોય તેવું કરવું, એ માનવતા. પોતાની ઉપરથી બધું વર્તન ફેરવવું એ માનવતા ! એ દરેકની જુદી જુદી હોય, હિન્દુઓની જુદી હોય, મુસલમાનની જુદી હોય, ક્રિશ્ચિયનોની જુદી હોય, બધાની જુદી હોય, જૈનોની માનવતા યે જુદી હોય. આમ પોતાને ઈન્સલ્ટ ગમતું નથી. અને લોકોને 'ઈન્સલ્ટ' આપવામાં શૂરો હોય છે, એને માનવતા કેમ કહેવાય ?! એટલે બધી બાબતમાં વિચાર કરીને બધું આપે, એનું નામ માનવતા કહેવાય. ટૂંકમાં, માનવતાની દરેકની રીત જુદી હોય. એ ભાગમાં હું કોઈને દુઃખ ના આપું. એ માનવતાની બાઉન્ડ્રી અને એ બાઉન્ડ્રી દરેકની જુદી જુદી હોય પાછી. માનવતા એટલે એક જ પ્રમાણ એવું નથી. મને જેમાં દુઃખ લાગે, એ દુઃખ હું કોઈને ન આપું. મને એવું દુઃખ કરે તો શું થાય ? માટે એ દુઃખ કોઈને ના આપું. એ જેટલું 'ડેવલપમેન્ટ' હોય એવું જ એ કર્યા કરે. એટલે માનવતા દરેકની સરખી ના હોય, એના ગ્રેડેશન પ્રમાણે એ હોય ! માનવતાના પ્રકાર જુદા જુદા ! પ્રશ્નકર્તા : માનવ જે છે, માનવ સમૂહ એની જે સમજ છે, પછી જૈનો હોય, ક્રિશ્ચિયનો હોય, વૈષ્ણવ હોય, એ તો બધે એકસરખા જ હોય ને ? દાદાશ્રી : એવું છે ને, જેવું ડેવલપમેન્ટ થયેલું હોય, એવી એની સમજ હોય. માનવતા, જ્ઞાનીની માનવતા, એ ય મનુષ્ય છે ને ? જ્ઞાનીની માનવતા, અજ્ઞાનીની માનવતા, પાપીની માનવતા, પુણ્યશાળીની માનવતા, બધાની માનવતા જુદી. મનુષ્ય એક જ પ્રકારનો. હવે કહેવાય ઈન્સાન અને ઈન્સાનીયત તો ચાલી ગયેલી હોય. ત્યાર પછી એને શું કામનું તે ? જે તલમાં તેલ જ ના હોય, એ તલ કામના શું ? એને તલ કહેવાય જ કેમ કરીને ? એની ઈન્સાનીયત તો ચાલી ગયેલી હોય છે. ઈન્સાનીયત જોઈએ પહેલી. ત્યારે, સિનેમાવાળા ગાય છે ને, ઈન્સાન બદલ ગયા... ત્યારે મૂઆ, રહ્યું શું તે ? ઈન્સાન બદલ ગયા તો ? ઈન્સાન બદલ ગયા તો મૂડી ખોવાઈ ગઈ આખી. હવે શાનો વેપાર કરીશ મૂઆ ? જ્ઞાની પુરુષની માનવતા એ જુદી જાતની હોય. અજ્ઞાનીની માનવતા, માનવતા બધામાં, અજ્ઞાનીમાં ય માનવતા હોય છે. આ આદિવાસી હોયને તે તમે જાવ, તો એની માનવતા હોય, પણ એ માનવતા જુદી જાતની, અન્ડેવલપ હોય અને આ ડેવલપ હોય. અને પાપીની માનવતા, પાપી એટલે સામો ચોર મળે, ચોર આવતા હોય ને આપણે ભેગા થયા, એની માનવતા કેવી, 'ખડે રહો', આપણે જાણીએ કે ઓહોહો, તારી માનવતા અમે જો શિખ્યા, આની માનવતા આપણે જોઈ ગયાને ? એ કહેશે, દે દો. ત્યારે કહીએ, 'લે ભઈ, બા, પહેલામાં પહેલી તકે.' અમને ભેગો થયો, એ તારી પુણ્યૈ છે ને ! શાથી ભેગા થઈએ આપણે ? હા ! તે એક માણસ મુંબઈમાં છે તે એવા ગભરાટવાળા, તે મને કહે છે, 'હવે તો આ ટેક્ષીઓમાં ફરાય નહીં.' મેં કહ્યું, 'શું થયું ભઈ ? આટલી દશ હજાર ટેક્ષીઓ છે ને ના ફરાય, એવું શું આવ્યું ? સરકારનો કાયદો આવ્યો ?' ત્યારે કહે છે, 'ના, લૂંટી લે છે, ટેક્ષીમાંથી મારી-ઠોકીને લૂંટી લે છે.' 'અલ્યા, મૂઆ, આવાં ગાંડા ક્યાં સુધી કાઢશો તમે લોકો ?' લૂંટવું એ કાયદેસર છે કે ગેરકાયદેસર છે ? રોજ ચાર જણ લૂંટાતા હોય, તેથી એ ઈનામ તમને લાગશે, એ શી રીતે તમને ખાત્રી થઈ ગઈ ? એ ઈનામ તો પહેલા નંબરવાળાને કો'ક દા'ડો ઈનામ લાગે, કંઈ રોજ ઈનામ લાગતા હશે ? મળે આપીને સુખ ! પ્રશ્નકર્તા : આપણે જાણીએ છીએ કે કોઈનું દિલ ના દુખાવું જોઈએ એવી રીતે જીવવું, એ બધા માનવતાના ધર્મ જાણીએ છીએ. દાદાશ્રી : એ તો માનવતાના ધર્મો છે, પણ આત્માનો સ્વાભાવિક ધર્મ જાણીએને તો પછી કાયમનું સુખ વર્તે. આ માનવધર્મમાં તો કેવું છે ? આપણે સામાને સુખ આપીએ એટલે આપણને સુખ મળ્યા કરે. વ્યવહાર જો આપણે સુખ આપવાનો રાખીએ તો વ્યવહારમાં આપણને સુખ પ્રાપ્ત થાય ને વ્યવહારમાં દુઃખ આપવાનો વ્યવહાર રાખીએ તો દુઃખ પ્રાપ્ત થાય. માટે આપણને જો સુખ જોઈતું હોય તો વ્યવહારમાં બધાને સુખ આપો અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો. પ્રશ્નકર્તા : બધાંયને સુખ આપવાની શક્તિ મળે, એવી પ્રાર્થના કરવાનીને ?! દાદાશ્રી : હા, એવી પ્રાર્થના કરાયને ! જીવનમાં, મહત્ કાર્ય જ આ બે ! મનુષ્યનો અવતાર શેને માટે છે ? પોતાનું આ બંધન, કાયમનું બંધન તૂટે એ હેતુ માટે છે, 'એબ્સોલ્યુટ' થવા માટે છે અને જો આ 'એબ્સોલ્યુટ' થવાનું જ્ઞાન પ્રાપ્ત ના થાય તો તું પારકાના સારુ જીવજે. આ બે જ કામ કરવા માટે હિન્દુસ્તાનમાં જન્મ છે. આ બે કામ લોકો કરતાં હશે ? લોકોએ તો ભેળસેળ કરીને મનુષ્યમાંથી જાનવરમાં જવાની કળા ખોળી કાઢી છે ! સરળતાના ઉપાયો ! પ્રશ્નકર્તા : સાત્ત્વિક જીવન સરળ બનાવવા માટે ઉપાયો કયા ? દાદાશ્રી : તો લોકોને તારી પાસે હોય એટલું ઓબ્લાઈઝીંગ નેચર કરીને આપ આપ કર્યા કર. એમને સાત્ત્વિક થતું જશે. ઓબ્લાઈઝીંગ નેચર કરેલો તે ? તને ઓબ્લાઈઝીંગ નેચર ગમે છે ? પ્રશ્નકર્તા : અમુક અંશે કરેલો ? દાદાશ્રી : એ વધારે અંશે કરીએ તો વધારે ફાયદો થાય. ઓબ્લાઈઝીંગ જ કર્યા કરવા. કોઈનો ધક્કો ખઈએ, ફેરો ખાઈએ, પૈસા આપીએ, કોઈ દુખીયો હોય એને બે કપડાં સીવડાવી આપીએ, એવું ઓબ્લાઈઝીંગ કરવું. ભાવમાં તો સો ટકા ! આ આંબો પોતાનાં ફળો પોતે ખાય છે ? ના. આ આંબો, બીજા ઝાડો આ મનુષ્યને ઉપદેશ આપે છે કે તમે તમારાં ફળ બીજાને આપો. તમને કુદરત આપશે. લીમડો કડવો લાગે ખરો, પણ લોકો વાવે ખરા. કારણ કે એનાં બીજા લાભ છે, નહીં તો છોડવો ઉખાડી જ નાખે. પણ એ બીજી રીતે લાભકારી છે. એ ઠંડક આપે છે, એની દવા હિતકારી છે, એનો રસ હિતકારી છે. સત્યુગમાં લોકો સામાને સુખ આપવાનો જ પ્રયોગ કરતા. આખો દહાડો 'કોને ઓબ્લાઈઝ કરું' એવાં જ વિચારો આવે. બહારથી ઓછું થાય તો વાંધો નહીં, પણ અંદરનો ભાવ તો હોવો જ જોઈએ આપણો કે મારી પાસે પૈસા છે, તે મારે કોઈના દુઃખને ઓછું કરવું છે. અક્કલ હોય તો મારે અક્કલથી કોઈને સમજણ પાડીને પણ એનું દુઃખ ઓછું કરવું છે. જે પોતાને સિલ્લક હોય તે હેલ્પ કરવાની, નહીં તો ઓબ્લાઈઝીંગ નેચર તો રાખવો જ. ઓબ્લાઈઝીંગ નેચર એટલે શું ? પારકાનું કરવા માટેનો સ્વભાવ ! પરોપકારથી પુણ્યૈ સથવારે ! જ્યાં સુધી મોક્ષ ના મળે ત્યાં સુધી પુણ્ય એકલું જ મિત્ર સમાન કામ કરે છે અને પાપ દુશ્મન સમાન કામ કરે છે. હવે તમારે દુશ્મન રાખવો છે કે મિત્ર રાખવો છે એ તમને જે ગમે તે પ્રમાણે નક્કી કરવાનું છે, અને મિત્રનો સંજોગ કેમ થાય તે પૂછી લેવું અને દુશ્મનનો સંજોગ કેમ જાય તે પૂછી લેવું અને જો દુશ્મન ગમતો હોય તો તે સંજોગ કેવી રીતે થાય એ પૂછે, એટલે અમે તેને કહીએ કે, જેમ ફાવે તેમ દેવું કરીને ઘી પીજે, ગમે ત્યાં રખડજે ને તને ફાવે તેમ મજા કરજે, પછી આગળની વાત આગળ ! અને પુણ્યરૂપી મિત્ર જોઇતો હોય તો અમે બતાડી દઇએ કે, ભઇ, આ ઝાડ પાસેથી શીખી લે. કોઇ ઝાડ એનું ફળ પોતે ખાઇ જાય છે ? ત્યારે કોઇ ગુલાબ એનું ફૂલ ખાઇ જતું હશે ? થોડુંક તો ખાઇ જતું હશે, નહીં ? આપણે ના હોઇએ ત્યારે રાત્રે એ ખાઇ જતું હશે, નહીં ? ના ખાઇ જાય ? પ્રશ્નકર્તા : ના ખાય. દાદાશ્રી : આ ઝાડ-પાન એ તો મનુષ્યોને ફળ આપવા માટે મનુષ્યોની સેવામાં છે. હવે ઝાડોને શું મળે છે ? એમની ગતિ ઊંચી જાય છે અને મનુષ્યો આગળ વધે છે એમની હેલ્પ લઇને ! એમ માનો ને, કે આપણે કેરી ખાધી એ આંબાના ઝાડનું શું ગયું ? અને આપણને શું મળ્યું ? આપણે કેરી ખાધી એટલે આપણને આનંદ થયો. એનાથી આપણી વૃત્તિઓ જે બદલાઈ, તેનાથી આપણે સો રૂપિયા જેટલું આધ્યાત્મિકમાં કમાઇએ. હવે કેરી ખાધી એટલે તેમાંથી પાંચ ટકા આંબાને તમારામાંથી જાય અને પંચાણું ટકા તમારે ભાગે રહે. એટલે એ લોકો આપણા ભાગમાંથી પડાવે, પાંચ ટકા પડાવે ને એ બિચારા ઊંચી ગતિમાં આવે અને આપણી અધોગતિ થતી નથી, આપણે પણ વધીએ. એટલે આ ઝાડો કહે છે કે અમારું બધું ભોગવો, દરેક જાતનાં ફળ-ફૂલ ભોગવો. યોગ ઉપયોગ પરોપકારાય ! માટે આ જગત તમને પોષાતું હોય, જગત જો તમને ગમતું હોય, જગતની ચીજોની ઇચ્છા હોય, જગતના વિષયોની વાંછના હોય તો આટલું કરો, 'યોગ ઉપયોગ પરોપકારાય.' યોગ એટલે આ મન-વચન-કાયાનો યોગ અને ઉપયોગ એટલે બુદ્ધિ વાપરવી, મન વાપરવું, ચિત્ત વાપરવું-એ બધું જ પારકાને માટે વાપર અને પારકાને માટે ના વપરાય તો આપણા લોકો છેવટે ઘરનાં માટે પણ વાપરે છે ને ! આ કૂતરીને ખાવાનું કેમ મળે છે ? એ બચ્ચાંની મહીં ભગવાન રહેલા છે. તે બચ્ચાંની સેવા કરે છે, તેનાથી એને બધું મળી રહે છે. આ આધારે જગત બધું ચાલી રહ્યું છે. આ ઝાડને ક્યાંથી ખોરાક મળે છે ? આ ઝાડોએ કંઇ પુરુષાર્થ કર્યો છે ? એ તો જરા ય 'ઇમોશન્લ' નથી. એ કોઇ દહાડો 'ઇમોશન્લ' થાય છે ? એ તો કોઇ દહાડો આઘાં-પાછાં થતાં જ નથી. એમને કોઇ દહાડો થતું નથી કે લાવ અહીંથી માઇલ છેટે વિશ્વામિત્રી છે, તે ત્યાં જઇને પાણી પી આવું ! પરોપકારની સાચી રીત ! પ્રશ્નકર્તા : આ જગતમાં સારાં કૃત્યો કયા કહેવાય ? એની વ્યાખ્યા આપી શકાય ? દાદાશ્રી : હા, સારાં કૃત્યો તો આ ઝાડ કરે, બધાં કરે છે એ તદ્દન સારાં કૃત્યો કરે છે. પણ એ પોતે કર્તાભાવે નથી. આ ઝાડ જીવવાળાં છે. બધાં પારકા માટે પોતાનાં ફળ આપે છે. તમે તમારાં ફળ પારકાને આપી દો. તમને તમારા ફળ મળ્યા કરશે. તમારાં જે ફળ ઉત્પન્ન થાય-દૈહિક ફળ, માનસિક ફળ, વાચિક ફળ. 'ફ્રી ઓફ કોસ્ટ' લોકોને આપ્યા કરો તો તમને તમારી દરેક વસ્તુ મળી આવશે, તમારી જીવન જરૂરિયાતમાં કિંચિત્માત્ર અડચણ નહીં પડે. અને જ્યારે એ ફળ તમે તમારી મેળે ખાઇ જશો તો અડચણ આવી મળશે. આ આંબો એનાં ફળ ખાઇ જાય તો એનો માલિક જે હોય તે શું કરે ? એને કાપી નાખે ને ? તેમ આ લોકો પોતાનાં ફળ પોતે જ ખાઇ જાય છે, એટલું જ નહીં ઉપરથી ફી માંગે છે ! એક અરજી લખી આપવાના બાવીસ રૂપિયા માંગે છે ! જે દેશમાં 'ફ્રી ઓફ કોસ્ટ' વકીલાત કરતાં અને ઉપરથી ઘરનું જમાડીને વકીલાત કરતાં ત્યાં આ દશા થઇ । ગામમાં વઢવાડ થઇ હોય, તો નગરશેઠ હોય તે પેલા બે લડવાવાળાને કહેશે, 'ભાઇ ચંદુલાલ, તમે આજે સાડા દસ વાગે ઘેર આવજો અને નગીનદાસ, તમે પણ તે ટાઇમે ઘેર આવજો'; અને નગીનદાસની જગ્યાએ કોઇ મજૂર હોય કે ખેડૂત હોય કે જે વઢતા હોય તેમને ઘેર બોલાવી જાય. બેઉને બેસાડે, બેઉને સહમત કરે. જેના પૈસા ચૂકવવાના હોય તેને થોડા રોકડા અપાવી, બાકીના હપ્તા બંધાવી આપે. પછી બેઉ જણને કહેશે, 'ચાલો, મારી જોડે જમવા બેસી જાઓ.' બન્નેને જમાડીને પછી ઘેર મોકલી આપે ! છે અત્યારે આવાં વકીલ ? માટે સમજો, અને સમયને ઓળખીને ચાલો. અને જો પોતાની જાતને પોતા માટે જ વાપરે તો મરણ વખતે દુઃખી થવાય. જીવ નીકળે નહીં ! ને બંગલા- મોટર છોડીને જવાય નહીં ! સમાજસેવાની સાચી પદ્ધતિ ! સલાહના એની પાસે પૈસા માંગવાના નહીં. આમતેમ કરીને પતાવી આપે. પોતે ઘરનાં બે હજાર આપે અને અત્યારે તો સલાહ લેવા ગયો હોય, તો સલાહની ફીનાં સો રૂપિયા લઈ લેશે ! 'અરે, જૈન છો તમે.' ત્યારે કહે, એ તો જૈન છે, પણ ધંધો જોઈએ કે ના જોઈએ અમારે ? 'સાહેબ, સલાહની ય ફી ?' અને તમે જૈન ? ભગવાનને ય શરમાવડાવ્યા ? વીતરાગોને ય શરમાવડાવ્યા ? નો-હાઉની ફી ? આ તો કયા તોફાન કહેવાય ? પ્રશ્નકર્તા : આ વધારાની બુદ્ધિની ફી એમ કહો છો ને ! દાદાશ્રી : કારણ કે બુદ્ધિનો વાંધો નથી. આ બુદ્ધિ, વિપરીત બુદ્ધિ છે. પોતાનું જ નુકસાન કરનારી બુદ્ધિ છે. વિપરીત બુદ્ધિ ! ભગવાને બુદ્ધિને માટે વાંધો નથી ઉઠાવ્યો. ભગવાન કહે છે, સમ્યક્ બુદ્ધિ પણ થઈ શકે છે. તે બુદ્ધિ વધી હોય ને તો મનમાં એમ થાય, કોને કોને નિકાલ કરી આપું, કોને કોને હેલ્પ કરી આપું, કોને કોને સર્વિસ ના હોય એને સર્વિસ મળે એવું કરી આપું. સુરતમાં અમે એક ગામમાં ગયા'તા. એક જણ કહે છે, 'મારે સમાજસેવા કરવી છે.' મેં કહ્યું, 'શું સમાજસેવા તું કરીશ ?' ત્યારે કહે છે, 'આમ શેઠીયાઓ પાસેથી લાવી ને લોકોને આપું છું.' મેં કહ્યું, 'એ આપ્યા પછી તપાસ કરું છું કે શેમાં વાપરે છે એ ?' ત્યારે કહે, 'એ આપણે જોવાની શી જરૂર ?' પછી એને સમજ પાડી કે, 'ભઈ, હું તને રસ્તો દેખાડું એ રીતે કર. શેઠીયાઓ પાસેથી પૈસા લાવું, તે એને સો રૂપિયાની લારી લઈ આપજે. પેલી હાથલારી આવે છે ને, ટુ ટાયરની હોય છે, તે સો-દોઢસો કે બસ્સો રૂપિયાની એને લારી લઈ આપજે. અને એક પચાસ રૂપિયા બીજા આપજે ને કહેજે, તારે શાકભાજી લાવી અને વેચીને, મને મૂડી સાંજે રોજ પાછી આપી દેવી. નફો તારો અને લારી પેટે આટલાં પૈસા રોજ આપવા.' 'બહુ ગમ્યું, બહુ ગમ્યું. આ તમે ફરી સુરત આવતાં પહેલાં તો સો-પચાસેક માણસ ભેગાં કરી નાખીશ.' ત્યારે આવું કંઈ કરો ને, અત્યારે લારીઓ-બારીઓ લઈ આપો. આ બધા ગરીબોને, એને કંઈ મોટાં ધંધા કરવાની જરૂર છે ? એક લારી લઈ આપો, તો સાંજે વીસ રૂપિયા ઊભાં કરી દે. તમને કેમ લાગે છે ? એને આવું આપીએ તો આપણે પાકાં જૈન ખરાં કે નહીં ? એવું છે ને અગરબત્તી યે બળતાં બળતાં સુગંધી આપીને બળે છે, નહીં ? આખો રૂમ સુગંધીવાળો કરી જાય ને ? તો આપણાથી સુગંધી જ ના થાય ? આવું કેમ હોય આપણને ? હું તો અહંકારે ય કરતો'તો, કેવો કરતો'તો ? પચ્ચીસ-ત્રીસ વર્ષની ઉંમરે પણ અહંકાર કરતો'તો ને તે ય વિચિત્ર પ્રકારનો અહંકાર કરતો. આ ભઈ મને મળ્યા અને જો એમને લાભ ના થાય તો મારું મળવું ખોટું હતું. એટલે દરેક માણસ મારી પાસે લાભ પામેલો. હું મળ્યો ને જો એમને લાભ ન થાય તો કામનું શું ? આંબો શું કહે છે ? કે મને ભેગા થયો ને કેરીની સીઝન હોય અને જો સામાને લાભ ના થાય તો હું આંબો જ નહીં. ભલે નાની હોય તો નાની, તને ઠીક લાગે તે, તને એનો લાભ તો થાય ને ! એ આંબો કંઈ લાભ ઉઠાવતો નથી. એવાં કંઈ વિચાર તો હોવા જોઈએ ને, આમ. આ આવાં જૈન કેમ હોવાં જોઈએ ? આવું સમજાવે તો બધાં ડાહ્યા છે પાછાં. આ તો ગેડ પડી ગઈ, પેલાએ આમ કર્યું, ચાલ્યું બધું ગાડું. તમને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા : હા, આપ વાત કરો છો, આવી મહાજનની સંસ્થા દરેક ઠેકાણે હતી. દાદાશ્રી : પણ અત્યારે એ ય મુશ્કેલીમાં મૂકાયાને. એટલે કોઈનો દોષ નથી. હવે બનવાનું તે બની ગયું, પણ હવે જો સુધારે આવું વિચારોથી, તો હજુ સુધરી શકે એમ છે અને બગડેલું સુધારવું એનું નામ જ ધર્મ કહેવાય. સુધરેલાને તો સુધારવા તૈયાર હોય જ બધાય. પણ બગડ્યું તે સુધારવું, એનું નામ ધર્મ કહેવાય. પરોપકાર, પરિણામે લાભ જ ! અને આ લાઇફ જો પરોપકાર માટે જશે તો તમને કશી ય ખોટ નહીં આવે, કોઇ જાતની તમને અડચણ નહીં આવે, તમારી જે જે ઇચ્છાઓ છે તે બધી જ પૂરી થશે. અને આમ કૂદાકૂદ કરશો તો એકે ય ઇચ્છા પૂરી નહીં થાય, કારણ કે એ રીત તમને ઊંઘ જ નહીં આવવા દે. આ શેઠિયાઓને તો ઊંઘ જ નથી આવતી, ત્રણ-ત્રણ, ચાર-ચાર દિવસ સુધી ઊંઘી નથી શકતા. કારણ કે લૂંટબાજી જ કરી છે જેની ને તેની. સારા-ખરાબ માટે પરોપકાર સરખો ! પ્રશ્નકર્તા : પરોપકારી માણસ લોકોના સારા માટે કહે તો પણ લોકો તે સમજવાને તૈયાર જ નથી, તેનું શું ? દાદાશ્રી : એવું છે, કે પરોપકાર કરનાર જો સામાની સમજણ જુએ તો તો એ વકીલાત કહેવાય. એટલે સામાની સમજણ જોવાની ના હોય. આ આંબો છે તે ફળ આપે છે. પછી તે આંબો એની કેટલી કેરીઓ ખાતો હશે ? પ્રશ્નકર્તા : એકે ય નહીં. દાદાશ્રી : તો એ બધી કેરીઓ કોના માટે છે ? પ્રશ્નકર્તા : પારકાં માટે. દાદાશ્રી : હં... તે આંબો જુએ છે કે આ મારી કેરીઓ ખાનારો લુચ્ચો છે કે સારો છે ? જે આવે ને લઇ જાય તેની તે કેરી, મારી નહીં. પરોપકારી જીવન તો એ જીવે છે ! પ્રશ્નકર્તા : પણ જે ઉપકાર કરે તેની ઉપર જ લોકો દોષારોપણ કરે છે, તો ય ઉપકાર કરવો ? દાદાશ્રી : હા. એ જ જોવાનું છે. અપકાર ઉપર ઉપકાર કરે તે જ ખરું છે. આવી સમજણ લોક ક્યાંથી લાવે ? આવી સમજણ હોય તો તો કામ જ થઇ ગયું ! આ પરોપકારીની તો બહુ ઊંચી સ્થિતિ છે, એ જ આખા મનુષ્ય જીવનનો ધ્યેય છે. અને હિન્દુસ્તાનમાં બીજો ધ્યેય, અંતિમ ધ્યેય મોક્ષપ્રાપ્તિનો છે. એમાં ઈગોઈઝમ નોર્મલ ! પ્રશ્નકર્તા : પરોપકારની સાથે 'ઇગો-ઇઝમ'ની સંગતિ હોય કે ? દાદાશ્રી : હંમેશાં પરોપકાર જે કરે છે, તેનો 'ઇગોઇઝમ' નોર્મલ જ હોય, તેનો વાસ્તવિક 'ઇગોઇઝમ' હોય. અને જે કોર્ટમાં દોઢસો રૂપિયા ફી લઇને બીજાનું કામ કરતાં હોય, તેનો 'ઇગોઇઝમ' બહુ વધી ગયેલો હોય. આ જગતનો કુદરતી નિયમ શું છે કે તમારા પોતાનાં ફળ બીજાને આપો તો કુદરત તમારું ચલાવી લેશે. આ જ ગુહ્ય સાયન્સ છે. આ પરોક્ષ ધર્મ છે. પછી પ્રત્યક્ષ ધર્મ આવે છે, આત્મધર્મ છેલ્લે આવે. મનુષ્ય જીવનનો હિસાબ આટલો જ છે. અર્ક આટલો જ છે કે મન- વચન-કાયા પારકાં માટે વાપરો. કરો જનસેવા, ચોખ્ખી દાનત રાખીને ! જનસેવા તો લોક કરે એવાં નથી. આ તો મહીં અંદરખાને કીર્તિનો લોભ છે, નામનો લોભ છે, માનનો લોભ છે, બધા જાતજાતના લોભ રહ્યા છે, તે કરાવડાવે છે. જનસેવા કરનારા માણસો તો કેવા હોય ? એ અપરિગ્રહી પુરુષ હોય. આ તો બધાં નામ કાઢવા માટે, 'ધીમે ધીમે કોઈક દહાડો પ્રધાન થઈશ' એમ કરીને જનસેવા કરે, મહીં દાનત ચોર હોય એટલે બહારની આફતો, વગર કામના પરિગ્રહો, એ બધું બંધ કરી દો તો બધું રાગે પડી જશે. આ તો એક બાજુ પરિગ્રહી, સંપૂર્ણ પરિગ્રહી રહેવું છે અને એક બાજુ જનસેવા જોઈએ છે, એ બન્ને શી રીતે બની શકે ? સેવા-કુસેવા, પ્રાકૃત સ્વભાવ ! આ તમે જે સેવા કરો છો એ પ્રકૃતિ સ્વભાવ છે અને એક માણસ કુસેવા કરે છે તે પણ પ્રકૃતિ સ્વભાવ છે. આમાં આપનો પુરુષાર્થ નથી ને પેલાનો ય પુરુષાર્થ નથી, પણ મનથી એમ માને છે કે 'હું કરું છું.' હવે 'હું કરું છું' એ જ ભ્રાંતિ છે. અહીં 'આ' જ્ઞાન આપ્યા પછી પણ તમે સેવા કરવાના તો છો જ, કારણ કે પ્રકૃતિ એવી લાવ્યા છો. પણ એ સેવા પછી શુધ્ધ સેવા થશે, અત્યારે શુભ સેવા થઈ રહી છે. શુભ સેવા એટલે બંધનવાળી સેવા, સોનાની બેડી, પણ બંધન જ છે ને ! આ જ્ઞાન પછી સામા માણસને ગમે તે થાય, પણ તમને દુઃખ થાય નહીં ને એનું દુઃખ દૂર થાય, પછી તમને કરૂણા રહેશે. આ અત્યારે તો તમને દયા રહે છે કે બિચારાને શું દુઃખ થતું હશે, શું દુઃખ થતું હશે ! એની તમને દયા રહે છે. એ દયા હંમેશાં આપણને દુઃખ આપે. દયા હોય ત્યાં અહંકાર હોય જ. દયાના ભાવ સિવાય પ્રકૃતિ સેવા કરે જ નહીં અને આ જ્ઞાન પછી તમને કરૂણા ભાવ રહેશે. ... કલ્યાણની શ્રેણીઓ જ ભિન્ન ! સમાજ કલ્યાણ કરે છે, એ કંઈ જગતનું કલ્યાણ કર્યું ના કહેવાય. એ તો એક સંસારિક ભાવ છે, એ બધું સમાજ કલ્યાણ કહેવાય. એ જેટલું સહુ સહુનાથી બને તેટલું કરે, એ બધી સ્થૂળ ભાષા કહેવાય; અને જગત કલ્યાણ કરવું એ તો સૂક્ષ્મ ભાષા, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ભાષા છે ! ખાલી એવા સૂક્ષ્મતમ ભાવો જ હોય છે કે તેનાં છાંટણાં જ હોય છે. માનવ સેવા, સામાજિક ધર્મ ! પ્રશ્નકર્તા : તો માનવ સેવા એ તો એક વ્યવહારિક થયું, એવું જ સમજવું ને ? એ તો વ્યવહાર ધર્મ થયો ને ? દાદાશ્રી : એ વ્યવહાર ધર્મ પણ નહીં, એ તો સમાજ ધર્મ કહેવાય. જે સમાજને અનુકૂળ હોય તે લોકોને અનુકૂળ પડે ને એ જ સેવા બીજાં સમાજને આપવા જઈએ તો તે પ્રતિકૂળ પડે. એટલે વ્યવહાર ધર્મ ક્યારે કહેવાય કે જે બધાંને સરખું પડે તેને ! અત્યાર સુધી તમે જે કર્યું તે સમાજસેવા કહેવાય. દરેકની સમાજસેવા જુદા જુદા પ્રકારની હોય. દરેક સમાજ જુદા પ્રકારનો, તેમ સેવા પણ જુદા પ્રકારની હોય. સમાજસેવા પ્રકૃતિ સ્વભાવ ! પ્રશ્નકર્તા : પણ વ્યવહારમાં એવું હોય છેને કે દયા ભાવ રહે છે, સેવા રહે છે, કોઈના પ્રત્યે લાગણી રહે છે કે કંઈક કરી છૂટું, કોઈને નોકરી અપાવવી, બિમારને હોસ્પિટલમાં જગ્યા અપાવવી, એટલે એ બધી ક્રિયાઓ એ એક જાતનો વ્યવહાર ધર્મ જ થયો ને ? દાદાશ્રી : એ તો બધી સામાન્ય ફરજો કહેવાય. સમાજસેવા તો જેણે ભેખ બાંધી છે ને ભેખ લીધી છે, એટલે ઘરમાં બહુ ધ્યાન નથી આપતો ને બહારનાં જ લોકોની સેવામાં એ પડેલો છે, એ સમાજસેવા કહેવાય; અને આ બીજાં તો પોતાના આંતરિક ભાવો કહેવાય, એ ભાવો તો પોતાને આવ્યા જ કરે. કોઈની ઉપર દયા આવે, કોઈના પર લાગણીઓ થાય અને આવું બધું તો પોતાની પ્રકૃતિમાં લાવેલો જ હોય, પણ છેવટે આ બધો જ પ્રકૃતિ ધર્મ જ છે. પેલી સમાજસેવા એ પણ પ્રકૃતિ ધર્મ છે, એને પ્રકૃતિ સ્વભાવ કહે છે કે આનો સ્વભાવ આવો છે, આનો સ્વભાવ આવો છે. કોઈનો દુઃખ દેવાનો સ્વભાવ હોય છે, કોઈનો સુખ આપવાનો સ્વભાવ હોય છે. આ બેઉના સ્વભાવ એ પ્રકૃતિ સ્વભાવ કહેવાય, આત્મ સ્વભાવ નહીં. પ્રકૃતિમાં જેવો માલ ભર્યો છે, એવો એનો માલ નીકળે છે. સાચો સમાજસેવક ! તમે કોને મદદ કરો છો ? પ્રશ્નકર્તા : એટલે સમાજની સેવામાં ઘણો સમય આપું છું. દાદાશ્રી : સમાજસેવા તો અનેક પ્રકારની હોય છે. જે સમાજસેવામાં, જેમાં કિંચિત્માત્ર 'સમાજસેવક છું' એવું ભાન ના રહેને એ સમાજસેવા સાચી. પ્રશ્નકર્તા : એ વાત બરોબર છે. દાદાશ્રી : બાકી, સમાજસેવકો તો ઠેર ઠેર દરેક ભાગમાં બબ્બે-ચચ્ચાર હોય છે, ધોળી ટોપી મેલી અને ફર ફર કર્યા કરે, સમાજસેવક છું. પણ એ ભાન ભૂલી જાય, ત્યારે એ સાચો સેવક ! પ્રશ્નકર્તા : કંઈક સારું કામ કરીએ તો મહીં અહમ્ આવી જાય કે મેં કર્યું. દાદાશ્રી : એ તો આવી જાય. પ્રશ્નકર્તા : તો એ ભૂલવા શું કરવું ? દાદાશ્રી : પણ આ સમાજસેવક છું, એનો અહંકાર ના આવવો જોઈએ. સારું કામ કરે ને તેનો અહંકાર આવે, તો પછી ભગવાનને તરત કહેવું, જે ભગવાનને માનતા હોય તમે, તે તમારા ઈષ્ટદેવ કે ભગવાનને જેને માનતા હોય, તેમને કહેવું કે હે ભગવાન, મારે અહંકાર નથી કરવો, તો ય થઈ જાય છે, તે માફ કરજો ! એટલું જ કરજો. થાય એટલું ? પ્રશ્નકર્તા : થાય. દાદાશ્રી : એટલું કરજો ને ! સેવામાં અહંકાર ! પ્રશ્નકર્તા : તો આ જગતને માટે આપણે કંઇ જ કરવાનું રહેતું નથી? દાદાશ્રી : તમારે કરવાનું હતું જ નહીં, આ તો અહંકાર ઊભો થયેલો છે. આ મનુષ્યો એકલા જ અહંકાર કરે છે કર્તાપણાનો. પ્રશ્નકર્તા : આ બેન ડૉક્ટર છે. એક ગરીબ 'પેશન્ટ' આવ્યો, તેના તરફ અનુકંપા થાય છે, સારવાર કરે છે. આપના કહેવા પ્રમાણે તો પછી અનુકંપા કરવાનો કોઇ સવાલ જ નથી રહેતોને ? દાદાશ્રી : એ અનુકંપા પણ કુદરતી છે, પણ પાછો અહંકાર કરે કે, 'મેં કેવી અનુકંપા કરી !' અહંકાર ના કરે તો કોઇ વાંધો નથી. પણ અહંકાર કર્યા વગર રહે નહીંને ! સેવામાં સમર્પણતા ?! પ્રશ્નકર્તા : આ જગતની સેવામાં પરમાત્માની સેવાનો ભાવ લઇને સેવા કરે એ ફરજમાં આવેને ? દાદાશ્રી : હા. એનું ફળ પુણ્ય મળે, મોક્ષ ના મળે. પ્રશ્નકર્તા : એનો શ્રેય સાક્ષાત્કારી પરમાત્માને સોંપી દે તો ય મોક્ષ ના મળે ? દાદાશ્રી : એમ ફળ સોંપી દેવાય નહીંને કોઇથી. પ્રશ્નકર્તા : માનસિક સમર્પણ કરીએ તો ? દાદાશ્રી : એ સમર્પણ કરે તો કોઇ ફળ લે નહીં ને કોઇ આપે ય નહીં. એ તો ખાલી વાતો જ છે. સાચો ધર્મ તો 'જ્ઞાની પુરુષ' આત્મા આપી દે ત્યારથી જ એની મેળે ચાલ્યા કરે અને વ્યવહાર ધર્મ તો આપણે કરવો પડે, શીખવો પડે. અંતે ઉપકાર જાત ઉપર કરવાનો ! હંમેશાં કોઈની પર ઉપકાર કર્યો હોય, કોઈને ફાયદો કર્યો હોય, કોઈકને માટે જીવ્યા હોય એટલો આપણને લાભ થાય, પણ એ ભૌતિક લાભ થાય, એનું ભૌતિક ફળ મળવાનું. પ્રશ્નકર્તા : કોઈક પર ઉપકાર કરવાને બદલે જાત ઉપર ઉપકાર કરે તો ? દાદાશ્રી : બસ, જાત ઉપર ઉપકાર કરવા માટે જ બધું કરવાનું છે. જો જાત ઉપર ઉપકાર કરે તો એનું કલ્યાણ થઈ જાય, પણ એને માટે પોતાની જાત જાણવી પડે, ત્યાં સુધી લોકો ઉપર ઉપકાર કરવાના, પણ એનું ભૌતિક ફળ મળ્યા કરશે. આપણી જાતને જાણવા માટે 'આપણે કોણ છીએ' એ જાણવું પડે. તમે તો અત્યાર સુધી 'હું ચંદુભાઈ છું' એટલું જ જાણો છો ને ? કે બીજું કશું જાણો છો ? આ 'ચંદુભાઈ' એ 'હું જ છું' એવું કહેશો. આનો ધણી થાઉં, આનો મામો થાઉં, આનો કાકો થાઉં; આમ બધી ઘટમાળ ! એવું જ છે ને ? એ જ જ્ઞાન તમારી પાસે છે ને ? એથી આગળ ગયા નથી ને ? નવો ધ્યેય આજનો, રીએક્શનો પાછલાં ! પ્રશ્નકર્તા : તો પરોપકાર અર્થે જ જીવવું જોઈએ. દાદાશ્રી : હા, પરોપકાર અર્થે જ જીવવું જોઈએ, પણ આ તમે હવે એવી લાઇન તરત જ બદલો તો આમ કરતાં પાછલાં રીએક્શનો તો આવે, એટલે પાછાં તમે કંટાળી જાવ કે આ તો મારે હજુ સહન કરવું પડે છે ! પણ થોડો વખત સહન કરવું પડશે, ત્યાર પછી તમને કોઈ દુઃખ નહીં હોય. પણ અત્યારે તો નવેસરથી લાઈન બાંધો છો, એટલે પાછલાં રિએક્શન તો આવવાનાં જ. અત્યાર સુધી જે ઊંધું કર્યું હતું, તેનાં ફળ તો આવે જ ને ? ભૌતિક સમૃદ્ધિ, બાય પ્રોડક્શનમાં ! પ્રશ્નકર્તા : ભૌતિક સમૃદ્ધિ મેળવવાની ઇચ્છા, પ્રયત્ન, આધ્યાત્મિક વિકાસમાં બાધક કરે ખરી કે ? અને બાધક કરે તો કઈ રીતે ને ના બાધક કરે તો કઈ રીતે ? દાદાશ્રી : ભૌતિક સમૃદ્ધિ મેળવવી હોય તો આપણે આ દિશામાં જવાનું, આધ્યાત્મિક સમૃદ્ધિ મેળવવી હોય તો આ બીજી દિશામાં જવાનું. એટલે આપણે આમ જવાનું તેને બદલે આપણે આમ બીજી દિશામાં જઈએ તો બાધક ખરું કે નહીં ? પ્રશ્નકર્તા : હા, એ બાધક કહેવાય ! દાદાશ્રી : એટલે સંપૂર્ણ બાધક છે. આધ્યાત્મિક આ દિશા હોય તો ભૌતિક આ સામી દિશા છે. પ્રશ્નકર્તા : પણ ભૌતિક સમૃદ્ધિ વગર ચાલે કેવી રીતે ? દાદાશ્રી : ભૌતિક સમૃદ્ધિ આ દુનિયામાં કોઈએ કરેલી ખરી ? બધા લોકો ભૌતિક સમૃદ્ધિ પાછળ પડ્યા છે. થઈ ગઈ ખરી કોઈની ? પ્રશ્નકર્તા : અમુક, કો'કની જ થાય છે, બધાની નથી થતી. દાદાશ્રી : માણસનાં હાથમાં સત્તાની વાત નથી એ, જ્યાં સત્તા નહીં હોય ત્યાં નકામી બૂમાબૂમ કરવી, એનો અર્થ શું છે ? મીનીંગલેસ ! પ્રશ્નકર્તા : જ્યાં સુધી એની કોઈ કામના, ત્યાં સુધી અધ્યાત્મમાં કઈ રીતે જઈ શકે ? દાદાશ્રી : હા, કામના હોય એ બરાબર છે. કામના હોય, પણ આપણા હાથમાં સત્તા નથી એ. પ્રશ્નકર્તા : એ કામના કઈ રીતે મટે ? દાદાશ્રી : એની કામના માટે એવું બધું આવે જ પાછું. તમારે બહુ એની માથાકૂટ નહીં કરવાની. આધ્યાત્મિક કર્યા કરો. આ ભૌતિક સમૃદ્ધિ તો બાય પ્રોડક્ટ છે. તમે આધ્યાત્મિકનું પ્રોડક્શન માંડો, આ બાજુ દિશામાં જાવ અને આધ્યાત્મિકનું પ્રોડક્શન માંડો, એટલે ભૌતિક સમૃદ્ધિઓ બાય પ્રોડક્ટ, તમને ફ્રી ઓફ કોસ્ટ મળે. પ્રશ્નકર્તા : આધ્યાત્મિક રીતે જવું હોય તો શું કહેવા માંગો છો ? કઈ રીતે જવું ? દાદાશ્રી : ના, પણ પહેલું આ સમજમાં આવે છે કે આધ્યાત્મિક એટલે, આધ્યાત્મિકનું તમે પ્રોડક્શન કરો, તો ભૌતિક એ બાય પ્રોડક્ટ છે, એવું તમને સમજમાં આવે છે ? પ્રશ્નકર્તા : એમ માનું છું તમે કહો છો, એ મને સમજમાં નથી આવતું. દાદાશ્રી : એટલે માનો તો પણ આ બધું બાય પ્રોડક્ટ છે. બાય પ્રોડક્ટ એટલે ફ્રી ઓફ કોસ્ટ. આ સંસારના વિનાશી સુખો બધું ફ્રી ઓફ કોસ્ટ મળેલું છે. આધ્યાત્મિક સુખને પ્રાપ્ત કરવા જતાં રસ્તાનું આ બાય પ્રોડક્શન મળ્યું છે આ. પ્રશ્નકર્તા : આપણે ઘણાં લોકો એવાં જોયા છે કે જે લોકો આધ્યાત્મિકમાં જતાં નથી, પણ ભૌતિક રીતે બહુ સમૃદ્ધ છે તો એમાં એ સુખી છે. દાદાશ્રી : હા, પણ એ અધ્યાત્મમાં જતા નથી દેખાતા, પણ એમણે અધ્યાત્મ કર્યું છે તેનું ફળ છે આ. પ્રશ્નકર્તા : એટલે આ જન્મમાં અધ્યાત્મ કરે એટલે આવતા જન્મમાં ભૌતિક સુખ મળે ? દાદાશ્રી : હા, તેનું ફળ આવતા ભવમાં મળે તમને. ફળ દેખાય અત્યારે અને અત્યારે અધ્યાત્મમાં ના પણ હોય. કાર્યનો હેતુ, સેવા કે લક્ષ્મી ? દરેક કામનો હેતુ હોય કે શા હેતુથી આ કામ કરવામાં આવે છે ! એમાં ઉચ્ચ હેતુ જો નક્કી કરવામાં આવે, એટલે શું કે આ દવાખાનું કાઢવું છે, એટલે પેશન્ટો કેમ કરીને આરોગ્યતા પ્રાપ્ત કરે, કેમ કરીને સુખી થાય, કેમ એ લોકો આનંદમાં આવે, કેમ એમની જીવનશક્તિ વધે, એવો આપણો ઉચ્ચ હેતુ નક્કી કર્યો હોય અને સેવાભાવથી જ એ કામ કરવામાં આવે ત્યારે એનું બાય પ્રોડક્શન કયું ? લક્ષ્મી ! એટલે લક્ષ્મી એ બાય પ્રોડક્ટ છે, એને પ્રોડક્શન ના માનશો. જગત આખા એ લક્ષ્મીને જ પ્રોડક્શન કરી એટલે પછી એને બાય પ્રોડક્શનનો લાભ મળતો નથી. એટલે સેવાભાવ એકલો જ તમે નક્કી કરો તો એનાં બાય પ્રોડક્શનમાં લક્ષ્મી તો પછી વધારે આવે. એટલે લક્ષ્મીને જો બાય પ્રોડક્ટમાં જ રાખે તો લક્ષ્મી વધારે આવે, પણ આ તો લક્ષ્મીના હેતુ માટે લક્ષ્મીનું કરે છે તેથી લક્ષ્મી આવતી નથી. માટે આ તમને હેતુ કહીએ છીએ કે આ હેતુ ગોઠવો, 'નિરંતર સેવાભાવ', તો બાય પ્રોડક્ટ એની મેળે જ આવ્યા કરશે. જેમ બાય પ્રોડક્ટમાં કશી મહેનત કરવી નથી પડતી, ખર્ચો નથી કરવો પડતો, એ ફ્રી ઓફ કોસ્ટ હોય છે, એવું આ લક્ષ્મી પણ ફ્રી ઓફ કોસ્ટ મળે છે. તમારે આવી લક્ષ્મી જોઈએ છે કે ઑનની લક્ષ્મી જોઈએ છે ? ઑનની લક્ષ્મી નથી જોઈતી ?! ત્યારે સારું ! આ ફ્રી ઓફ કોસ્ટ મળે એ કેવી સારી ! એટલે સેવાભાવ નક્કી કરો, મનુષ્ય માત્રની સેવા. કારણ કે આપણે દવાખાનું કર્યું એટલે આપણે જે વિદ્યા જાણતા હોય તે વિદ્યા સેવાભાવમાં વાપરવી, એ જ આપણો હેતુ હોવો જોઈએ. એના ફળરૂપે બીજી વસ્તુઓ ફ્રી ઓફ કોસ્ટ મળ્યા કરે અને પછી લક્ષ્મી તો કોઈ દહાડો ય ખૂટે નહીં અને જે લક્ષ્મી માટે જ કરવા ગયેલા એમને ખોટ આવેલી. હા, વળી લક્ષ્મી માટે જ કારખાનું કાઢ્યું પછી બાય પ્રોડક્ટ તો રહ્યું જ નહીંને ! કારણ કે લક્ષ્મી એ જ બાય પ્રોડક્ટ છે, બાય પ્રોડક્શનનું ! એટલે આપણે પ્રોડક્શન નક્કી કરવાનું એટલે બાય પ્રોડક્શન ફ્રી ઓફ કોસ્ટ મળ્યા કરે. જગત કલ્યાણ, એ જ પ્રોડક્શન ! આત્મા પ્રાપ્ત કરવા માટે જે કરવામાં આવે છે, તે પ્રોડક્શન છે અને તેને લીધે બાય પ્રોડક્ટ મળે છે ને સંસારમાં બધી જરૂરિયાત પ્રાપ્ત થાય છે. હું મારું એક જ જાતનું પ્રોડક્શન રાખું છું, 'જગત પરમ શાંતિને પામો અને કેટલાંક મોક્ષને પામો.' મારું આ પ્રોડક્શન અને એનું બાય પ્રોડક્શન મને મળ્યા જ કરે છે. આ ચા-પાણી અમને તમારા કરતાં જુદી જાતનાં આવે છે, એનું શું કારણ ? કે તમારા કરતાં મારું પ્રોડક્શન ઊંચી જાતનું છે. એવું તમારું પ્રોડક્શન ઊંચી જાતનું હોય તો બાય પ્રોડક્શન પણ ઊંચી જાતનું આવે. સેવા પરોક્ષ રીતે ભગવાનની ! બીજું બધું જ પ્રોડક્શન બાય પ્રોડક્ટ હોય છે, એમાં તમારે જોઈતી બધી જ વસ્તુઓ મળ્યા કરે અને તે ઇઝિલી મળ્યા કરે. જુઓને, આ પ્રોડક્શન પૈસાનું કર્યું છે એટલે આજે પૈસા ઇઝિલી મળતાં નથી; દોડધામ, રઘવાયા રઘવાયા ફરતા હોય એવાં ફરે છે અને મોઢા પર દિવેલ ચોપડીને ફરતા હોય એવાં દેખાય ! ઘરનું સુંદર ખાવા-પીવાનું છે, કેવી સગવડ છે, રસ્તા કેવા સરસ છે, રસ્તા ઉપર ચાલીએ તો પગ ધૂળવાળા ના થાય ! માટે મનુષ્યોની સેવા કરો, મનુષ્યમાં ભગવાન રહેલાં છે, ભગવાન મહીં જ બેઠા છે. બહાર ભગવાન ખોળવા જાવ તો તે મળે એવાં નથી. તમે મનુષ્યોનાં ડૉકટર છો એટલે તમને મનુષ્યોની સેવા કરવાનું કહું છું, જાનવરોનાં ડૉક્ટર હોય તો તેમને જાનવરોની સેવા કરવાનું કહું. જાનવરોમાં પણ ભગવાન બેઠા છે, પણ આ મનુષ્યોમાં ભગવાન વિશેષ પ્રગટ થયા છે ! લક્ષ્મી, એ તો બાય પ્રોડકશનમાં ! પ્રશ્નકર્તા : કર્તવ્ય તો દરેક માણસનું, પછી વકીલ હોય કે ડૉક્ટર હોય, પણ કર્તવ્ય તો એવું જ હોયને કે મનુષ્ય માત્રનું સારું કરવું ? દાદાશ્રી : હા, પણ આ તો 'સારું કરવું છે' એવી ગાંઠ વાળ્યા વગર જ બસ કર્યા કરે છે, કોઈ ડિસીઝન લીધું નથી, કોઈ પણ હેતુ નક્કી કર્યા વગર એમ ને એમ ગાડી ચાલ્યા કરે છે. કયે ગામ જવું છે એનું ઠેકાણું નથી અને કયે ગામે ઉતરવાનું છે તેનું ય ઠેકાણું નથી, રસ્તામાં ક્યાં ચા-નાસ્તો કરવાનો છે તેનું ય ઠેકાણું નથી. બસ દોડ દોડ કર્યા કરે છે. એટલે બધું ગૂંચાયું છે. હેતુ નક્કી કર્યા પછી બધું કાર્ય કરીએ. આપણે તો ખાલી હેતુ જ બદલવાનો છે, બીજું કશું કરવાનું નથી. પંપના એન્જિનનો એક પટ્ટો આને આપે તો પાણી નીકળે અને આ બાજુ પટ્ટો આપો તો ડાંગરમાંથી ચોખા નીકળે. એટલે ખાલી પટ્ટો આપવામાં જ ફેર છે. હેતુ નક્કી કરવાનો છે અને એ હેતુ પછી આપણને લક્ષમાં રહેવો જોઈએ. બસ, બીજું કશું જ નથી. લક્ષ્મી લક્ષમાં રહેવી ના જોઈએ. 'પોતાની' સેવામાં સમાણા સર્વ ધર્મ ! બે પ્રકારના ધર્મ, ત્રીજા પ્રકારનો કોઈ ધર્મ હોતો નથી. જે ધર્મમાં જગતની સેવા છે, તે એક પ્રકારનો ધર્મ અને જ્યાં પોતાની સેવા છે એ બીજા પ્રકારનો ધર્મ. પોતાની સેવાવાળા હોમ ડિપાર્ટમેન્ટમાં જાય અને આ જગતની સેવા કરે, એ એનો લાભ મળે કે મઝા કરે. અને જેમાં જગતની કોઈ પણ પ્રકારની સેવા સમાતી નથી, જ્યાં પોતાની સેવા સમાતી નથી એ બધું એક જાતનાં ભાષણો છે, સામાજિક ભાષણો છે ! અને પોતાની જાતને ભયંકરપણે કેફ ચઢાવનારાં છે. જગતની કંઈ પણ સેવા થતી હોય તો ત્યાં ધર્મ છે. જગતની સેવા ના થાય તો પોતાની સેવા કરો. જે પોતાની સેવા કરે છે એ જગતની સેવા કર્યા કરતાં ય વધારે છે, કારણ કે પોતાની સેવા કરનારો કોઈને ય દુઃખ ના દે ! પ્રશ્નકર્તા : પણ પોતાની સેવા કરવાનું સૂઝવું જોઈએ ને ! દાદાશ્રી : એ સૂઝવું સહેલું નથી. પ્રશ્નકર્તા : એ કેમ કરવું ? દાદાશ્રી : એ તો પોતાની સેવા કરતાં હોય તેમને પૂછવું કે 'સાહેબ, આપ પારકાંની સેવા કરો છો કે પોતાની ?' ત્યારે સાહેબ કહે છે કે 'અમે પોતાની કરીએ છીએ.' ત્યારે આપણે એમને કહીએ, 'મને એવો રસ્તો દેખાડો !' એ સિવાય બીજાં ધાર્મિક મનોરંજનો ! એટલે બે જ ધર્મ હોય, ત્રીજો ધર્મ નહીં. બીજા તો ઓરનામેન્ટો છે બધા ! ઓરનામેન્ટ પોર્શન અને લોક વાહ વાહ કરે ! જ્યાં સેવા નથી, કોઈ પણ જાતની સેવા નથી, જગત સેવા નથી, તે બધાં ધાર્મિક મનોરંજન છે અને ઓર્નામેન્ટલ પોર્શન છે આ બધો ! બુદ્ધિનો ધર્મ ત્યાં સુધી સ્વીકારવામાં આવે કે જે બુદ્ધિ સેવાભાવી હોય, જીવોને સુખ આપવાવાળી હોય, એ બુદ્ધિ હોય તે સારી. બાકી બીજી બુદ્ધિ નકામી છે. બીજી બધી બુદ્ધિ બાંધે છે ઊલટી. બાંધીને મરાવ મરાવ કરે અને જ્યાં જુઓ ત્યાં નફો-ખોટ જુએ. બસમાં પેઠો તો પહેલાં જોઈ લે કે જગ્યા ક્યાં છે ? આમ બધી બુદ્ધિ જ્યાં ને ત્યાં ભટકાય ભટકાય કર્યા કરે ! બીજાની સેવા કરીએ એ બુદ્ધિ સારી. નહીં તો પોતાની સેવા જેવી બુદ્ધિ કોઈ નહીં ! જે 'પોતાની' સેવા કરે છે એ આખા જગતની સેવા કરી રહ્યો છે. 'પોતાની સેવા'નાં લક્ષણો ! પ્રશ્નકર્તા : પોતાની સેવાનાં લક્ષણો કયા કયા ? પોતાની સેવા કરી રહ્યો છે, એમ ક્યારે કહેવાય ? દાદાશ્રી : 'પોતાની' સેવા કરનારાને આ જગતના તમામ માણસો દુઃખ દે, પણ એ કોઈને ય દુઃખ ના દે. દુઃખ તો આપે નહીં, પણ એને ખોટા ભાવ પણ ના કરે કે તારું ખરાબ થજો ! 'તારું સારું થજો' એમ કહે. હા, છતાં સામો બોલે તો વાંધો નહીં. સામો બોલે કે તમે નાલાયક છો, બદમાશ છો, તમે દુઃખ દો છો, એનો આપણને વાંધો નથી. આપણે શું કરીએ છીએ એ જોવાનું છે. સામો તો રેડિયાની પેઠ બોલ્યા જ કરશે, જાણે રેડિયો વાગતો હોય એવું ! પ્રશ્નકર્તા : જીવનમાં બધાં લોકો આપણને દુઃખ આપે ને છતાંય દુઃખ સહન કરીએ એ તો બની નથી શકતું. ઘરનાં માણસો થોડુંક અપમાન જેવું વર્તન કરે તો ય નથી સહન થતું તો ! દાદાશ્રી : તો શું કરવું ? આમાં ના રહે તો શામાં રહેવું ? એ કહો મને. આ હું કહું છું એ લાઈન ના પસંદ પડે તો એ માણસે શેમાં રહેવું ? સેફસાઈડવાળી છે જગ્યા ? કોઈ હોય તો મને દેખાડો. પ્રશ્નકર્તા : ના, એમ નહીં. પણ આપણો 'ઈગો' તો છે જ ને ? દાદાશ્રી : જન્મથી જ બધામાં 'ઈગો' અટકાવે, પણ 'આપણે અટકવું નહીં.' 'ઈગો' છે તે જેમ ફાવે એમ નાચે. 'આપણે' નાચવાની જરૂર નહીં. આપણે એનાથી જુદા છીએ. તમારામાં ડખલ કોઈની નથી ! પ્રશ્નકર્તા : મારા શેઠ અપમાન કરે તો હું સહન કરું પણ મારા અંડરહેન્ડ અપમાન કરે તો હું સહન ના કરું. દાદાશ્રી : હા. સહન ના કરો, તો કરો શું ? પ્રશ્નકર્તા : શેઠની બાબતમાં મને ડર છે કે મારી સાહ્યબી-નોકરી, બધું જશે. આ અંડરહેન્ડનો મને કંઈ ડર નથી એટલે આમાં સમજણ શક્તિ ક્યાં ઊભી કરવી ? દાદાશ્રી : એ જે તમને શંકા છે ને કે આ મારું અપમાન કરે, એ તમને ડર છે એક જાતનો. બાકી આ દુનિયામાં કોઈ પણ માણસ એવો પાક્યો નથી કે તમારામાં ડખલ કરી શકે, જો તમારું બળ હોય, જાત ઉપરની શ્રદ્ધા હોય, જાતની સેવા હોય તો ! પ્રશ્નકર્તા : જગતમાં તો સમર્થ માણસ હોય એ ગમે તે કરે તો તેનો દોષ ના ગણાય ને સામાન્ય માણસ હોય તે કશું કરે તો બધો દોષ દે. દાદાશ્રી : ના, હું તો આપણા અહીંની અપેક્ષાએ વાત કરું છું. આ જગતની અપેક્ષાએ વાત નથી કરતો. આપણી અપેક્ષાએ વાત કરું છું કે તમને જે 'જ્ઞાન' પ્રાપ્ત થયેલું છે એ આધારે આ જગતમાં કોઈ માણસ તમારામાં ડખલ કરી શકે એમ છે નહીં, ને ડખલ કરે છે તો એ તમારો હિસાબ છે. માટે બુદ્ધિ વાપરશો નહીં. હિસાબ જમે કરી દેજો, બસ. કોઈ આટલી ડખલ કરી શકે એમ નથી, માટે ભય પામશો નહીં ! શીલનો પ્રભાવ તો જુઓ ! પ્રશ્નકર્તા : આપણે અહીં જે વિજ્ઞાનની રીતે ચર્ચાઓ થાય છે, એમાં એટલો ફેર ચોક્કસ પડ્યો છે કે સામા માણસો ગમે એમ વર્તન કરતાં હોય તો આપણે સમજી શકીએ છીએ કે આનો કંઈ જવાબ આપવા જેવો નથી. એટલો ફેર ચોક્કસ પડ્યો છે કે શાંતિ મળે છે, કામ કરવાની શક્તિ વધે છે, ઉકેલ સરસ આવતા હોય છે. દાદાશ્રી : હવે એથી આગળ સમજવાનું છે. આ વિજ્ઞાનનું ફળ એથી આગળ જાણવાનું છે. આ તમે જે વાડ બાંધો છો, તે વાડ બાંધ્યા પછી જે ચોરીઓ ના થાય, એ વાડ વગર પણ ચોરીઓ ના થાય, એવું આ વિજ્ઞાન છે. અને વાડ બાંધ્યા પછી તો સાચવવા માટે માણસો રાખવા પડે. એટલે તમને જે આમ મારું અપમાન ન કરી શકે એવો જે ભાવ છે, તેથી તમે વાડ બાંધીને રક્ષણ કરો છો. હવે વાડ બાંધીને રક્ષણ કરનારો હોય એનો જેટલો તાપ સામાને લાગે છે, એના કરતાં જે રક્ષણ નથી કરતો એનો ભયંકર શીતળ તાપ હોય !!! મોટા મોટા બાહરવટિયા પણ પાણી પાણી થઈ જાય ! માટે આપણું શીલ કેળવો ! શીલ !! આ વિજ્ઞાન પામ્યા હોય તો શીલ કેળવાય. નહીં તો કોઈ રસ્તે શીલ કેળવાય નહીં. બીજે રસ્તે તો જેમ શીલ કેળવવા જાય તેમ કુશીલ કેળવાય છે, કારણ કે શીલને ઓળખતો નથી ત્યાં સુધી કુશીલ કેળવાય ! એટલે શીલ કેળવો. શીલનો જે પ્રતાપ છે એ અજાયબ પ્રતાપ છે. મહાવીરની પાસે વાઘ અને બકરી સાથે પાણી પીતા હતાં, એવું ઈતિહાસ કહે છે અને પુરાવા સહિતની વાત છે આ તો. 'પોતાની સેવા' સૂક્ષ્મતાએ સમજવી ! પ્રશ્નકર્તા : પોતાની સેવાનાં બીજાં લક્ષણો કયાં ? દાદાશ્રી : 'પોતાની' સેવાનાં એટલે કોઈને દુઃખ ન દે એ પહેલામાં પહેલું લક્ષણ. એમાં બધી જ ચીજ આવી જાય. એમાં એ અબ્રહ્મચર્યે ય ના સેવે. અબ્રહ્મચર્ય સેવવું એટલે કોઈને દુઃખ દીધા બરોબર છે. અગર એમ માનો કે રાજીખુશીથી અબ્રહ્મચર્ય થયું હોય, તો કેટલાં જીવો મરી જાય છે ! માટે એ દુઃખ દીધા બરાબર છે. એટલે એનાથી સેવા જ બંધ થઈ જાય છે. પછી જૂઠું બોલાય નહીં. ત્યારે ચોરી ના કરાય, હિંસા ના કરાય, પૈસા ભેળા ના કરાય. પરિગ્રહ કરે, પૈસા ભેળા કરવા એ હિંસા જ છે. એટલે બીજાંને દુઃખ દે છે, આમાં બધું આવી જાય છે. ટૂંકમાં, જગતમાં કોઈને દુઃખ ન હોજો ! એટલા માટે અમે બધાંને કહીએ છીએ કે ભઈ, સવારના પહોરમાં બહાર નીકળતી વખતે બીજું કશું ના આવડે તો એટલું બોલજો ને કે 'આ જગતમાં કોઈ પણ જીવને કિંચિત્માત્ર મન-વચન-કાયાથી દુઃખ ન હો.' એવું પાંચ વખત બોલીને નીકળજે. બીજી જવાબદારી મારી ! જા, બીજું નહીં આવડે તો હું જોઈ લઈશ ! આટલું બોલજે ને ! પછી કોઈને દુઃખ થઈ ગયું, એનું હું જોઈ લઈશ. પણ આટલું તું બોલજે. આમાં વાંધો છે ? પ્રશ્નકર્તા : આમાં કોઈ વાંધો નથી. દાદાશ્રી : તું બોલજે જ. ત્યારે એ કહે કે 'મારાથી દુઃખ દેવાઈ જાય તો ?' એ તારે જોવાનું નહીં. એ હું હાઈકોર્ટમાં પછી બધું કરી લઈશ. એ વકીલને જોવાનું છે ને ? તે હું કરી આપીશ બધું. તું આ મારું વાક્ય બોલજે ને સવારના પહોરમાં પાંચ વખત ! વાંધો ખરો આમાં ? કંઈ ભારે ખરું ? સાચા દિલથી, 'દાદા ભગવાન'ને યાદ કરીને બોલો ને, પછી વાંધો શો છે ? પ્રશ્નકર્તા : અમે એવું જ કરીએ છીએ. દાદાશ્રી : બસ, એ જ કરવું. બીજું કરવા જેવું નથી આ દુનિયામાં. ટૂંકમાં, વ્યવહાર ધર્મ... સંસારના લોકોને વ્યવહાર ધર્મ શીખવાડવા અમે કહીએ છીએ કે પરાનુગ્રહી થા. પોતાની જાતનો વિચાર જ ના આવે. લોકકલ્યાણ માટે પરાનુગ્રહી બન. જો તારી જાતને માટે તું વાપરીશ તો તે ગટરમાં જશે અને બીજાને માટે કંઈ પણ વાપરવું તે આગળનું એડજસ્ટમેન્ટ છે. શુધ્ધાત્મા ભગવાન શું કહે છે કે જે બીજાનું સંભાળે છે, તેનું હું સંભાળી લઉં છું અને જે પોતાનું જ સંભાળે છે, તેને હું તેના ઉપર છોડી દઉં છું. બસ, આ જ શીખવા જેવું ! પ્રશ્નકર્તા : બીજાને સુખ આપીને સુખી થવું એ. દાદાશ્રી : હા, બસ, એટલું જ શીખજો ને ! બીજું શીખવા જેવું જ નથી, દુનિયામાં બીજો કશો ધર્મ જ નથી, આ આટલો જ ધર્મ છે, બીજો કોઈ ધર્મ નથી, બીજાને સુખ આપો એમાં જ સુખી થશો. આ તમે વેપાર-ધંધા કરો છો, ત્યારે કંઈક કમાવ છો, તો કોઈ ગામમાં દુખીયા હોય તો એને થોડું ઘણું અનાજ-પાણી આપીએ, છોડી પૈણતી વખતે કંઈક રકમ આપીએ, પણ એનું ગાડું રાગે પાડી આપવું જોઈએ ને ! કોઈનું દિલ ઠારીએ તો ભગવાન આપણું દિલ ઠારે. જ્ઞાની આપે ગેરન્ટી લેખ ! પ્રશ્નકર્તા : દિલ ઠારવા જતાં તો આજ ખીસ્સું કપાઈ જાય છે. દાદાશ્રી : ખીસ્સું ભલે કપાઈ જાય, એ પાછલો હિસાબ હશે તે ચૂકતે થાય છે. પણ તમે અત્યારે ઠારો તો એનું ફળ તો આવશે જ, એની સો ટકા ગેરન્ટી લેખ હઉ કરી આપું. આ અમે આપેલું હશે તેથી અમારે અત્યારે સુખ આવે છે, મારો ધંધો જ એ છે કે સુખની દુકાન કાઢવી. આપણે દુઃખની દુકાન કાઢવી નહીં. સુખકી દુકાન, પછી જેને જોઈતું હોય તે સુખ લઈ જાવ અને કોઈક દુઃખ આપવા આવે તો આપણે કહીએ કે ઓહોહો, હજુ બાકી છે, મારું, લાવો, લાવો. એને આપણે બાજુએ મૂકી રાખીએ. એટલે દુઃખ આપવા આવે તો લઈ લઈએ, આપણો હિસાબ છે તો આપવા તો આવે ને ? નહીં તો મને તો કોઈ દુઃખ આપવા આવતું નથી. માટે સુખની દુકાન એવી કાઢો કે બસ, બધાને સુખ આપવું. દુઃખ કોઈને આપવું નહીં અને દુઃખ આપનારાને તો કોઈક દહાડો કોઈક ચાકુ મારી દે છે ને ? એ રાહ જોઈને બેસી રહ્યો હોય. આ જે વેર વાળે છે ને, એ એમ ને એમ વેર નથી વાળતાં, દુઃખનો બદલો લે છે. પરણ્યા પછી થશે સેવા ? આ દુનિયામાં પહેલામાં પહેલી સેવા કરવા જેવું સાધન હોય તો મા-બાપ. સેવા કરીશ એમની ? પ્રશ્નકર્તા : હા, ચાલુ જ છે સેવા. ઘરકામમાં મદદ કરું છું. દાદાશ્રી : લ્યો, એ તો બધું નોકર રાખ્યો હોત તો તે ય કરે. પ્રશ્નકર્તા : એમાં પૈસા જાય ને ! દાદાશ્રી : તે તારી પાછળ નથી આપતાં પૈસા. કપડાં પહેરાવાનું-કરવાનું, જમાડે ને એ બધું. તેમાં તેં શું કર્યું ? સેવા તો ક્યારે કહેવાય? એમને દુઃખ થતું હોય, પગ ફાટતા હોય અને આપણે પગ એમને દબાવી આપીએ એવું તેવું બધું.... પ્રશ્નકર્તા : હા, એ હું કરું છું ને ! દાદાશ્રી : કરું છું ?! એમ ! મોટો થઈશ ત્યારે પપ્પા-મમ્મીને શું કરીશ ? પ્રશ્નકર્તા : સેવા કરીશ. દાદાશ્રી : લાકડી લઈને ! શી રીતે સેવા કરીશ ? તું તો નોકરી કરીશ કે સેવા કરીશ ? જો બહાર નોકરી કરીશ અને ઘેર આવું તો વહુની ભાંજગડમાં પડવું પડશે, તો એમની ક્યારે સેવા કરીશ તું ? બહારનું ડિપાર્ટમેન્ટ રચાઈ ગયું, અંદર ઘરનું ડિપાર્ટમેન્ટ રચાઈ ગયું. એમનું ડિપાર્ટમેન્ટ કયું આવશે ? તને કેમ લાગે છે ? કે પૈણ્યા વગર રહેવાનો છું ? મા-બાપની સેવા કરે તો શાંતિ ના જતી રહે. પણ આજે સાચા દિલથી મા-બાપની સેવા નથી કરતા. ત્રીસ વર્ષનો થયો ને 'ગુરુ'(પત્ની) આવ્યા. તો કહે છે, મને નવે ઘેર લઈ જાવ. ગુરુ જોયેલા તમે ? પચીસ-ત્રીસ વર્ષે 'ગુરુ' મળી આવે અને 'ગુરુ' મળ્યા એટલે બદલાઈ જાય. ગુરુ કહે કે, બાને તમે ઓળખતા જ નથી. એ એક ફેરો ના ગાંઠે. પહેલી વખત તો ના ગાંઠે પણ બે-ત્રણ વખત કહે, તો પછી પાટો વાળી લે. સેવા કરીએ તો સેવા મળે ! બાકી, મા-બાપની શુધ્ધ સેવા કરે ને, એને અશાંતિ થાય નહીં એવું આ જગત છે. આ કંઈ જગત કાઢી નાખવા જેવું નથી. ત્યારે લોક પૂછે ને, છોકરાનો જ દોષ ને.... છોકરા સેવા નથી કરતાં મા-બાપની, એમાં મા-બાપનો શો દોષ ? મેં કહ્યું કે એમણે મા-બાપની સેવા નહીં કરેલી, એટલે એમને પ્રાપ્ત થતી નથી. એટલે આ વારસો જ ખોટો છે. હવે નવેસરથી વારસાની જગ્યાએ ચાલે તો સરસ થાય. એટલે હું એ બનાવડાવું છું. એકેએક ઘેર, છોકરા બધા ઓલરાઈટ થઈ ગયા છે. મા-બાપે ઓલરાઈટ ને છોકરાએ ઓલરાઈટ ! વડીલોની સેવા કરવાથી આપણું વિજ્ઞાન ખીલે છે. કંઈ મૂર્તિઓની સેવા થાય છે ? મૂર્તિઓનાં કંઈ પગ દુઃખે છે ! સેવા તો વાલી, વડીલો કે ગુરુ હોય તેમની કરવાની હોય. સેવા તરછોડીને ધર્મ કરાય ? મા-બાપની સેવા કરવી એ ધર્મ છે. એ તો ગમે તેવો હિસાબ હોય પણ આ સેવા કરવી એ આપણો ધર્મ છે. અને જેટલો આપણો ધર્મ પાળીએ એટલું સુખ આપણને ઉત્પન્ન થાય. વડીલોની સેવા તો થાય એ થાય, જોડે જોડે સુખ ઉત્પન્ન થાય. મા-બાપને સુખ આપીએ તો આપણને સુખ ઉત્પન્ન થાય. મા-બાપને સુખી કરે એ માણસો કાયમ કોઈ દહાડો દુઃખી હોતાં જ નથી. એક ભાઈ મને એક મોટા આશ્રમમાં ભેગા થયા. મેં તેમને પૂછયું કે, 'અહીં ક્યાંથી તમે ?' ત્યારે તેમણે કહ્યું કે, 'હું આ આશ્રમમાં છેલ્લા દસ વર્ષથી રહું છું.' ત્યારે મેં તેમને કહ્યું કે 'તમારાં મા-બાપ ગામમાં બહુ જ ગરીબીમાં છેલ્લી અવસ્થામાં દુઃખી થાય છે.' ત્યારે તેમણે કહ્યું કે, 'એમાં હું શું કરું ? હું એમનું કરવા જાઉં તો મારો ધર્મ કરવાનો રહી જાય.' આને ધર્મ કેમ કહેવાય ? ધર્મ તો તેનું નામ કે મા-બાપને બોલાવે, ભાઈને બોલાવે. બધાને બોલાવે. વ્યવહાર આદર્શ હોવો જોઈએ. જે વ્યવહાર પોતાના ધર્મને તરછોડે, મા-બાપના સંબંધને પણ તરછોડે, તેને ધર્મ કેમ કહેવાય ? દાદાશ્રી : તમારે મા-બાપ છે કે નથી ? પ્રશ્નકર્તા : મા છે. દાદાશ્રી : હવે સેવા કરજો, બરાબર. ફરી ફરી લાભ નહીં મળે અને કોઈ માણસ કહેશે, 'હું દુઃખી છું.' તો હું કહું કે તારા મા-બાપની સેવા કરને, સારી રીતે. તો સંસારના દુઃખ તને ન પડે. ભલે પૈસાવાળો ન થાય, પણ દુઃખ તો ન પડે. પછી ધર્મ હોવો જોઈએ. આનું નામ ધર્મ જ કેમ કહેવાય ? મેં ય બાની સેવા કરેલી. વીસ વર્ષની ઉંમર હતી, એટલે જુવાનજોધ ઉંમર હતી. એટલે માની સેવા થઈ. બાપુજીને ખભે ચઢાવીને લઈ ગયેલા, એટલી સેવા થયેલી. પછી હિસાબ જડ્યો, મૂઆ, આવાં તો કેટલાંય બાપુજી થયા. હવે શું કરીશું ? ત્યારે કહે, જે છે એમની સેવા કર. પછી ગયા એ ગોન. પણ અત્યારે હોય તો તું એમની સેવા કર, ના હોય તો ચિંતા ના કરીશ. બધા બહુ થઈ ગયા. ભૂલ્યા ત્યાંથી ફરી ગણો. મા-બાપની સેવા, એ પ્રત્યક્ષ રોકડું છે. ભગવાન દેખાતા નથી, આ તો દેખાય છે. ભગવાન ક્યાં દેખાય છે ? અને આ મા-બાપ તો દેખાય છે. ખરી જરૂરિયાત, ઘૈડિયાઓને સેવાની ! અત્યારે તો વધુમાં વધુ દુઃખી હોયને, તો એક તો પાંસઠ વર્ષની ઊંમરના માણસો બહુ દુઃખી છે અત્યારે. પણ કોને કહે એ ? છોકરાંઓ ગાંઠતા નથી. સાંધા બહુ પડી ગયેલાં, જૂનો જમાનો ને નવો જમાનો. ડોસો જૂનો જમાનો છોડતો નથી. માર ખાય તો ય ના છોડે. પ્રશ્નકર્તા : દરેક પાંસઠે એની એ જ હાલત રહે ને ! દાદાશ્રી : હા. એવી ને એવી જ હાલત. આની આ જ હાલત. એટલે ખરી રીતે કરવા જેવું શું છે આ જમાનામાં ? કે કોઈ જગ્યાએ આવાં વડીલ લોકોને માટે જો રહેવાનું સ્થાન રાખ્યું હોય ને તો બહુ સારું. એટલે અમે વિચાર કર્યો હતો. મેં કહ્યું, એવું કંઈક કર્યું હોય ને તો પહેલું આ જ્ઞાન આપી દેવું. પછી એમને જમવા-કરવાની વ્યવસ્થા તો આપણે અહીં પબ્લિકને બીજા સામાજીકતામાં સોંપી દઈએ તો ચાલે. પણ જ્ઞાન આપ્યું હોય તો દર્શન કર્યા કરે તો ય કામ તો ચાલે. ને આ 'જ્ઞાન' આપ્યું હોય તો શાંતિ રહે બિચારાને, નહીં તો શા આધારે શાંતિ રહે ? તમને કેમ લાગે છે ? પ્રશ્નકર્તા : હા, બરાબર છે. દાદાશ્રી : ગમે એવી વાત છે કે નહીં ? ઘરડાપણું અને પાંસઠ વર્ષની ઊંમરનો માણસ હોય ને, ઘરમાં રહેતો હોય ને, તે એને કોઈ ગણકારે નહીં એટલે શું થાય ? મોઢે બોલાય નહીં ને મહીં ઊંધાં કર્મ બાંધે. એટલે આ લોકોએ જે ઘરડાંઘરની વ્યવસ્થા કરી છે તે એ વ્યવસ્થા ખોટી નથી. હેલ્પીંગ કરે છે. પણ એને ઘરડાંઘર તરીકે નહીં, પણ બહુ માનભેર એવો શબ્દ મૂકવો જોઈએ કે માનભેર લાગે. સેવાથી, જીવનમાં સુખ-સંપત્તિ ! પહેલી મા-બાપની સેવા, જેણે જન્મ આપ્યો તે. પછી ગુરુની સેવા. ગુરુની સેવા ને મા-બાપની સેવા તો ચોક્કસ રહેવી જોઈએ. વખતે ગુરુ સારાં ના હોય તો સેવા છોડી દેવી જોઈએ. પ્રશ્નકર્તા : અત્યારે મા-બાપની સેવા કરતાં નથી ને, તેનું શું ? તો કઈ ગતિ થાય ? દાદાશ્રી : મા-બાપની સેવા ના કરે એ આ ભવમાં સુખી થાય નહીં. મા-બાપની સેવા કરવાનો પ્રત્યક્ષ દાખલો શું ? ત્યારે કહે છે કે આખી જિંદગી સુધી દુઃખ ના આવે. અડચણો ય ના આવે, મા-બાપની સેવાથી ! આપણા હિન્દુસ્તાનનું વિજ્ઞાન તો બહુ સુંદર હતું. તેથી તો શાસ્ત્રકારોએ ગોઠવી દીધેલું ને કે મા-બાપની સેવા કરજો, જેથી કરીને તમને જિંદગીમાં ય ધનનું દુઃખ નહીં પડે. હવે એ કાયદેસર હશે કે નહીં હોય એ વાત જુદી છે, પણ મા-બાપની સેવા અવશ્ય કરવા જેવી છે. કારણ કે જો તમે સેવા નહીં કરો તો તમે કોની સેવા પામશો ? તમારી પાછળની પ્રજા શી રીતે શીખશે કે તમે સેવા કરવા લાયક છો. છોકરાંઓ બધું જોતા હોય છે. એ જુએ કે આપણા ફાધરે જ કોઈ દહાડો એમના બાપની સેવા કરી નથી ને ! પછી સંસ્કાર તો ના જ પડે ને ! પ્રશ્નકર્તા : મારું કહેવાનું એમ હતું કે પુત્રની પિતા પ્રત્યે ફરજ શું છે ? દાદાશ્રી : છોકરાઓએ પિતા પ્રત્યે ફરજ બજાવવી જોઈએ અને છોકરાં જો ફરજ બજાવે ને તો છોકરાને ફાયદો શું મળે ? મા-બાપની જે છોકરાઓ સેવા કરે, તેને કોઈ દહાડો ય પૈસાની ખોટ આવે નહીં, એની જરૂરિયાત બધી મળી આવે અને ગુરુની સેવા કરે એ મોક્ષે જાય. પણ આજના લોકો મા-બાપની કે ગુરુની સેવા જ કરતાં નથી ને ? તે બધા લોકો દુઃખી થવાના. મહાન ઉપકારી, મા-બાપ ! જે માણસ મા-બાપનો દોષ જુએ, એમનામાં કોઈ દા'ડો ભલીવાર જ ના આવે. પૈસાવાળો થાય વખતે, પણ એની આધ્યાત્મિક ઉન્નતિ ક્યારે પણ ના થાય. મા-બાપનો દોષ જોવાય નહીં. ઉપકાર તો ભૂલાય જ શી રીતે ? કોઈએ ચા પાઈ હોય તો ઉપકાર ભૂલાય નહીં. આપણે તો મા-બાપનો ઉપકાર તો ભૂલાય જ શી રીતે ? તું સમજી ગયો ? હં... એટલે બહુ ઉપકાર માનવો જોઈએ. સેવા બહુ કરવી. ફાધર-મધરની બહુ સેવા કરવી જોઈએ. આ દુનિયામાં ત્રણનો મહાન ઉપકાર છે. એ ઉપકાર છોડવાનો જ નથી. ફાધર, મધર અને ગુરુનો ! આપણને જેમણે રસ્તે ચઢાવ્યા હોય, તે આ ત્રણનો ઉપકાર ભૂલાય એવો નથી. - જય સચ્ચિદાનંદ |
---|