ચિત્તનું સ્વરૂપ ! સંપાદકીય ચિત્તનું સ્વરૂપ બહુ સૂક્ષ્મતાએ સમજવા જેવું છે. મનની ખબર પડી જાય પણ ચિત્તની ઓળખાણ પડવી મુશ્કેલ છે. એ તો જે પોતે મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધાંથી પર થઈ ગયા છે, નિરંતર આત્મામાં જ મુકામ છે તેવા જ્ઞાની પુરૂષ જ આ તો જેમ છે તેમ ફોડ પાડી શકે. ચિત્તને સાદી ભાષામાં સમજવું હોય તો જ્ઞાન અને દર્શન - બે ભેગાં કરે, એનું નામ ચિત્ત. પછી અશુધ્ધ જ્ઞાન-દર્શન હોય તો અશુધ્ધ ચિત્ત કહેવાય છે. જે ભટક ભટક કરે છે. જ્યારે જ્ઞાન-દર્શનની શુધ્ધિ થઈ જાય તો એ શુધ્ધ ચિત્ત અને એ જ શુધ્ધાત્મા, એ જ સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન. પોતાના સ્વરૂપની અજ્ઞાનતાને લઈને ચિત્ત સંસારમાં ભટકે છે અને તેથી એને ક્યાંક સ્થિર કરે તો શાંતિ લાગે. તે પછી ધર્મમાં ક્રિયાકાંડ, મંત્ર-જાપ, કુંડલિની કે ચક્રો ઉપર એકાગ્ર થવાથી શાંતિ રહે, પણ તેય ટેમ્પરરી, છતાં તે ઉર્ધ્વગતિમાં લઈ જાય. જ્યારે ટીવીમાં, વિષયમાં, લક્ષ્મીમાં, બીજામાં ચિત્ત એકાગ્ર રહ્યા કરે, તેમાંથી શાંતિ લાગે પણ તે અધોગતિમાં લઈ જાય. પણ ચિત્તની અશુધ્ધિ છે ત્યાં સુધી આત્મા સિવાય બહાર ભટક્યા જ કરે છે. સંતો-મહંતો પાસે ચિત્તની મલિનતા ઓછી થાય તો સંસારમાં સુખ-શાંતિ રહે. પણ છતાં સનાતન સુખ, શાશ્વત આનંદ તો ખૂટતો જ લાગે છે. એ તો જ્યારે આત્મજ્ઞાની પુરૂષ ભેગા થાય ત્યારે ચિત્તની અશુધ્ધિ ખલાસ કરી ચિત્તને આત્મસુખ ચખાડી દે છે. પછી આત્માનું લક્ષ બેસી જાય છે. પછી ચિત્ત બહાર ભટકતું અટકે છે. પછી જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહ્યા કરે તેમ તેમ ચિત્ત સર્વાંશ શુધ્ધિને પામતું જાય છે અને સર્વાંશ ચિત્તશુધ્ધિ થઈ તો શુધ્ધચિદ્રૂપ થયો, તે જ પરમાત્મ દશા. ચિત્તને સૌથી વધારે બગાડી નાખતું હોય તો વિષય-વિકાર. ચિત્ત બગડવાથી જ ઐશ્વર્ય તૂટતું જાય છે. જેમ જેમ ઐશ્વર્ય તૂટે તેમ તેમ મનુષ્યમાંથી જાનવર ગતિમાં જાય. એથી વધારે બગડે તો નર્કમાં જાય. ચિત્ત બગડતું અટકે તો મનુષ્યમાં આવે, એથી મલિનતા ઘટતી જાય તો દેવગતિમાં જાય ને ચિત્ત સંપૂર્ણ શુધ્ધ થઈ ગયું તો ભગવાન દશામાં આવે. આ બધી ગતિમાં ભટકવાનું ને મુક્તિ પામવાનું રહસ્ય છે. સંસારમાં રહેવા છતાં મહામુક્ત દશાની પારાશીશી કઈ ? ત્યારે દાદાશ્રી એક જ વાક્યમાં કહી જાય છે કે 'જગત આખામાં ફરો, તમારા ચિત્તનું કોઈ હરણ કરી ના શકે તો તમે સ્વતંત્ર છો. કેટલાંય વર્ષોથી મારા ચિત્તને મેં જોયું છે કે કોઈ ચીજ હરણ કરી શકતી નથી, એટલે પછી મારી જાતને હું સમજી ગયો કે હું તદ્દન સંપૂર્ણ સ્વતંત્ર થયો છું.' પ્રસ્તુત સંકલનમાં દાદાશ્રીની જ્ઞાનવાણીમાં ચિત્તના સ્વરૂપનો સૂક્ષ્મતાએ ફોડ પાડ્યો છે. જેમાં થીયરેટિકલ વ્યાખ્યાની વિગતવાર સમજ અહીં પ્રાપ્ત થાય છે અને પ્રેક્ટિકલ જીવનમાં એ ચિત્ત કેવી રીતે કામ કરતું હોય છે, તેનાં દ્રષ્ટાંત સાથે ફોડ પ્રાપ્ત થાય છે. જે જીવનમાં સદા ઉપયોગી થશે. દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ ચિત્તનું સ્વરૂપ ! સાચી સમજ ચિત્તની ! ચિત્ત એટલે શું ? આપણા લોકો ચિત્તને પૂરેપૂરું જે રીતે સમજવું જોઈએ તે રીતે એને ગુણથી સમજતા નથી. ચિત્તને શું સમજે છે આપણા લોકો મને કહો તમે. પ્રશ્નકર્તા : જેને કોન્શિયસ(જાગૃતિ) કહીએ આપણે. દાદાશ્રી : હા. એટલે શું પણ ? ગુજરાતીમાં એને શું કહેવાય ? પ્રશ્નકર્તા : આંતરચેતના, અથવા તો તળપદી શબ્દ આંતર્સૂઝ કહીએ આપણે. દાદાશ્રી : આંતરસૂઝ, આંતરચેતના એ જુદી છે અને ચિત્ત જુદું છે. પ્રશ્નકર્તા : મન અને આત્માની વચ્ચેની જે સ્થિતિ છે એ ચિત્ત ? દાદાશ્રી : ના. આત્માનો ભાગ જે આવરાયો છે, તે ભાગ ચિત્ત છે. પ્રશ્નકર્તા : અને એનું કેન્દ્ર આત્મા ? દાદાશ્રી : આત્માનો જે આવરાયેલો ભાગ છે એને ચિત્ત કહે છે. તે હું આવરાયેલો ભાગ કાઢી નાખું છું. એટલે ચિત્ત શુધ્ધ થાય છે. એટલે આત્મા ને ચિત્ત એકાકાર થઈ જાય. આ ભૂલો ક્યાં સુધી છે કે આવરાયેલો છે ત્યાં સુધી ! ચિત્ત ભટકે અશુધ્ધિને લઈને ! પ્રશ્નકર્તા : ચિત્તનો કંટ્રોલ (કાબુ) કોણ કરી શકે ? દાદાશ્રી : ચિત્તનો કંટ્રોલ કરવાની જરૂર નથી. પ્રશ્નકર્તા : એ કેવી રીતે બધું કરે ? કેવી રીતે ગમે ત્યાં ભટકે ? દાદાશ્રી : ચિત્ત તો એની અશુધ્ધતાને લઈને ભટકે છે. પ્રશ્નકર્તા : ચિત્ત બહાર ના ભટકે તેના માટે શું કરવું ? દાદાશ્રી : ચિત્તને શુધ્ધ કરાવવું પડે. ચિત્ત ભટકવાનું કામ કરે છે એટલે એ ચિત્તને જરા ચોખ્ખું કરવાનું છે. ચિત્ત શુધ્ધ થાય એટલે ભટકે નહીં. પ્રશ્નકર્તા : આપે ચિત્તશુધ્ધિની જે વાત કરી એમાં શુધ્ધિ માટે કંઈક કહો. દાદાશ્રી : શુધ્ધિ તમારે જાતે કરવી છે ? પણ એને ઓળખો છો ખરાં કે ચિત્ત એ શું છે ? એનું કાર્ય શું છે ? આપને જે સમજમાં હોય ને તે મને કહો. લોકોની જુદી જુદી સમજ હોય. દરેકની ભાષા જુદી હોય. બોલે ખરાં બધાય ચિત્ત, પણ સહુ સહુની ભાષામાં બોલે. પણ જ્ઞાની પુરુષની ભાષા જોઈએ. જે સમજ્યા હોય તે બોલેને તો વાંધો નહીં. પ્રશ્નકર્તા : હું જે સમજ્યો છું, તે ભાષા કદાચ જુદી હોઈ શકે. દાદાશ્રી : ના, એનો વાંધો નહીં. પ્રશ્નકર્તા : આપે જેને અંતઃકરણ કહ્યું, એને માટે આપણે ચિત્ત શબ્દ વાપરીએ છીએ અગર તો અંતઃકરણ કહીએ છીએ. કેટલીક જગ્યાએ એમ પણ સમજાવ્યું છે કે આમાં સંસ્કારોનો પુંજ પડ્યો છે. એના અનેક પડળો છે, એ આખુંય ચિત્ત છે. એ ખરું છે ? દાદાશ્રી : ચિત્ત તો સમજ્યું જ નથી. આ હિન્દુસ્તાનમાં કોઈ માણસ એવો નથી કે ચિત્તને સમજ્યો હોય. ચિત્ત સમજે તો કામ થઈ જાય ને ! પણ એનું કાર્ય શું છે ? તમને જે સમજાયું હોય તે કહોને, હું પછી ફોડ આપું તમને. ચિત્ત શબ્દની વ્યાખ્યા ! પ્રશ્નકર્તા : આપ જે કહી રહ્યા છો એ કદાચ ચૈતન્યની વાત છે અને આ ચિત્તની જે વાત છે, એ અહંકારનું આખુંય ક્ષેત્ર એ ચિત્તનું છે. દાદાશ્રી : એવું છે ને, ચિત્ત એવી વસ્તુ છે કે મનુષ્યોને કે દરેક જીવને, જ્ઞાન-દર્શન બે હોય છે, દર્શન એ સૂઝ રીતે હોય છે. મહીં સૂઝ પડે છે ને ! દરેકને સૂઝ પડે ને ? જાનવરને ય સૂઝ પડે. એ દર્શન કહેવાય. અને પછી વિવેકથી સમજે ત્યારે એને જ્ઞાન કહેવાય. તે જ્ઞાન-દર્શન મનુષ્યોને હોય છે, જીવમાત્રને હોય છે. તે જ્યાં સુધી અધૂરું છે ત્યાં સુધી ચિત્ત કહેવાય છે. અને દર્શન-જ્ઞાન સંપૂર્ણ શુધ્ધ થયું એનું નામ શુધ્ધ ચિદ્રુપ, એનો એ જ શુધ્ધાત્મા કહેવાય ! હવે અહીં બેઠાં તમારી ઓફિસમાં જઈ આવે અને ત્યાં તમારો ફ્રેન્ડ બેઠો હોય તે દેખાય ને ? પ્રશ્નકર્તા : હા. દેખાય. દાદાશ્રી : એ ચિત્ત થકી દેખાય છે. પણ તે આ અશુધ્ધ જ્ઞાન-દર્શનથી દેખાય છે. અશુધ્ધ શાથી કે અહંકાર સહિત છે. જ્યારે એ જ નિર્અહંકાર થશે અને શુધ્ધ ચિત્ત થશે. શુધ્ધ ચિત્ત ને નિર્અહંકાર એ છેલ્લી દશા ! આપને સમજાયું ને ? આ ચિત્ત બે શબ્દનું બનેલું છે. જ્ઞાન અને દર્શન બે ભેગાં કરે, એનું નામ ચિત્ત. એ અશુધ્ધિને લઈને અશુધ્ધ જ્ઞાન-દર્શન. એ શુધ્ધ ચિત્ત એટલે શુધ્ધ જ્ઞાન-દર્શન. અશુધ્ધ જ્ઞાન-દર્શન એટલે શું કે હું ચંદુભાઈ છું, આ બાઈનો ધણી છું, આ છોકરાનો બાપ થઉં, આનો મામો થઉં, આનો કાકો થઉં, ફૂવો થઉં એ અશુધ્ધ ચિત્ત છે. પ્રશ્નકર્તા : ચિદ્ અને ચિત્ત એ બે શબ્દોમાં ફેર છે ? દાદાશ્રી : ચિદ્ જે લખે છે ને, એ જ ચિત્ત છે. શુધ્ધ ચિદ્રૂપ જ શબ્દ લખેલો હોય છે ને, એ જ આમાં પાછું ચિત્ત ગણાય છે. આપણા લોકો એને ચિત્ કહે છે. એ ચિદ્ એટલે શું ? અજ્ઞાન + અદર્શન. જ્ઞાને ય 'અ' અને દર્શને ય 'અ'. વિશેષ જ્ઞાન + વિશેષ દર્શન તેને છે તે ચિત્ત કહે છે. એ શુધ્ધ ચિત્ત થયું એને આત્મા કહેવાય. આ જે મેલું, અશુધ્ધ ચિત્ત છે, એ સંસાર કહેવાય. એને અજ્ઞા કહીએ છીએ આપણે અને પેલું પ્રજ્ઞા શરૂઆત થઈ જાય. ચિત્ત એટલે લોકો મન સમજે છે એને. એ તો જ્ઞાન-દર્શન છે. જ્ઞાન-દર્શનનું મિક્ષ્ચર એ ચિત્ત. હવે બોલો, ત્યાં આગળ બીજું બધું આડું-અવળું આરોપે તો શું થાય ? તત્ત્વ સ્વરૂપ, ચિત્તનું ! પ્રશ્નકર્તા : ચિત્ત તત્ત્વ સ્વરૂપે શું છે ? દાદાશ્રી : લોકો કેટલાંય હજારો વર્ષથી ચિત્ત શબ્દને ભૂલી ગયા. એ સમજતા જ નથી. ભૂલી જ ગયા છે. બધા મનને જ ચિત્ત કહે છે. પ્રશ્નકર્તા : આ ચિત્તનો અર્થ દરેકે પોતાની સમજ પ્રમાણે કર્યો છે. ચિત્તનો સાચો અર્થ શું ? દાદાશ્રી : ચિત્તના અર્થનું કોઈને ભાન જ નથી. ચિત્ત તો વ્યવહારિક ચેતન છે. વ્યવહારમાં ચેતન હોય તો આ ચિત્ત જ છે. ચિત્ત ઉપરથી ચેતન થયું. ચિત્ત એટલે જ્ઞાન અને દર્શન. આ સત્સંગમાં બેઠા છો તમે, ને દુકાનમાં ટેબલ ઝાંખું દેખાય એ દર્શન કહેવાય અને સ્પષ્ટ દેખાય એ જ્ઞાન કહેવાય. એ ચિત્ત જોઇ આવે છે. સામાન્ય ભાવે દેખાય ત્યારે ચિત્ત દર્શનરૂપે કહેવાય અને વિશેષ ભાવે દેખાય, વિગતવાર સ્વરૂપે દેખાય એ ચિત્ત જ્ઞાનરૂપે કહેવાય. એ અશુધ્ધ છે એટલે વ્યવહારિક ચેતન કહેવાય છે, મિકેનિકલ ચેતન કહેવાય છે. એ બહુ કામ આપનારી વસ્તુ છે. મન તો ચેતન જ નથી. મન એ તો ફિઝિકલ છે. તે ડૉક્ટરને આંખે દેખાતું નથી, દૂરબીનથી ય દેખાતું નથી, છતાં મન એ ફિઝિકલ છે. પ્રશ્નકર્તા : મનનાં કરતાં ચિત્તની સ્થિતિ બહુ ઊંચી ? દાદાશ્રી : ઘણી ઊંચી. મનમાં જરાય ચેતન નથી ? મનમાં જો પોતે તન્મયાકાર થાય તો જ મનની અસર થાય. એને અડે નહીં તો મન કશું ય નડે નહીં ! અશુધ્ધ ચિત્ત એ પાવર ચેતન ! પ્રશ્નકર્તા : સત્ ચિત્ અને આનંદ કહ્યું તેમાં અને મન, વચન, કાયા, ચિત્ત, બુદ્ધિ, અહંકાર આ બધામાં ચિત્તને જ આટલું બધું મહત્વ કેમ આપ્યું ? દાદાશ્રી : ચિત્ત એ મિકેનિકલ ચેતન છે. એટલે એમાં ચેતન ચાર્જ થયેલું છે અને ચેતન ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. મિકેનિકલ ચેતન એટલે ચેતનનું અંશ થતું નથી, પણ પાવર ચેતન કહેવાય. કોઈ ચાવી આપેલી ગાડી હોય એમાં આપણે ચાવી આપીએ, એટલે પાવર પૂર્યો હોય, શક્તિ મૂકી હોય એટલે એ શક્તિશાળી છે ને પછી એ ગાડી એની મેળે ચાલે ને ? એવી રીતે આ છે. પ્રશ્નકર્તા : તો પછી ચિત્ત જડ કહેવાય કે ચૈતન્ય ? દાદાશ્રી : એ પાવર ચેતન છે. મૂળ દરઅસલ ચેતન નથી પણ પાવર ચેતન ! આત્મા એ મૂળ ચેતન છે, એના આધારે આ બધું આમાં ચેતન ભરાય છે, પાવર ચેતન. એના આધારે, એની હાજરીથી. પ્રશ્નકર્તા : આત્માની હાજરીથી ? દાદાશ્રી : આત્માની હાજરીથી. એ ના હોય તો ના થાય. પ્રશ્નકર્તા : નરસિંહ મહેતાએ કેમ કીધું કે ચિત્ત ચૈતન્ય વૈરાગ્ય તદ્રૂપ છે ? દાદાશ્રી : ચૈતન્ય એટલે કેવું ? એના ફોડ એક્ઝેક્ટ (યથાર્થ) નથી પડ્યા. એટલે લોક ગૂંચાય છે. ચૈતન્ય એટલે પાવર ચૈતન્ય છે. પાવર ચૈતન્ય એટલે હું તમને સમજાવું કે બેટરી હોય છે, તેની મહીં સેલ હોય છે. એમાં શું હોય છે ? પાવર ભરેલો હોય છે. એટલે આપણે દબાવીએ એટલે લાઈટ થાય. પાવર ખલાસ થાય ત્યારે શું થાય ? પ્રશ્નકર્તા : લાઈટ બંધ. દાદાશ્રી : સેલમાં કશું બગડ્યું જ ના હોય. સેલ તો એવું ને એવું જ હોય. પાવર ખલાસ થઈ ગયો. પાવર વપરાઈ ગયો. એવાં આ મન-વચન-કાયા સેલ છે. મહીં પાવર ભરેલો છે, એ વપરાઈ જાય છે. તદ્દન સત્ય ચેતન નથી એ. સત્ય ચેતન કોઈ પણ જાતની ક્રિયા કરી શકે નહીં. પ્રશ્નકર્તા : એનો અર્થ એ થયો કે પાવર એને આત્માથી મળે છે. દાદાશ્રી : પાવરને જ આત્મા માન્યો છે, આ બધા લોકોએ. એ ભૂલ થઈ છે. મૂળ વસ્તુને નહીં ખોળવાથી આ પાવરને જ આત્મા માન્યો છે. અને આ બધું ચેતનની પેઠ ફરતું દેખાય છે, એટલે આને ચેતન માન્યું. પણ આ ન હોય ચેતન. આમાં એક અંશ પણ ચેતન નથી. પ્રશ્નકર્તા : જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી આ દેહની પ્રવૃત્તિ છે. દાદાશ્રી : આત્મા હોય તો જ દેહ પ્રવૃત્તિશીલ હોય, નહીં તો ના હોય. પૂરાય પાવર, મૂળ આત્માની હાજરીથી ! પ્રશ્નકર્તા : એ પાવર છે તે આત્માથી લેવામાં આવે છે ? દાદાશ્રી : આત્માથી પ્રગટ થાય છે. લેવામાં એટલે એ આપતું નથી, લેતું નથી. એની હાજરીમાં પ્રગટ થાય છે. જેમ આ દરિયો હોય છે તે દરિયાને કહીએ કે તું વરાળ કેમ કાઢ કાઢ કરું છું ? ત્યારે કહે, 'ના, હું તો વરાળ નથી કાઢતો.' આપણને ખબર પડે ને, કે વરાળ ના કાઢતો હોય, પણ સૂર્ય આવે ત્યારે એ વરાળ કાઢે, સૂર્યની હાજરીમાં. એટલે આપણે દરિયાને પૂછીએ કે કેમ તમે વરાળ કાઢો છો ? ત્યારે એ કહે 'હું કાઢતો હોઉં તો સૂર્યનારાયણ ગયા પછી હું કાઢ્યા જ કરું. પછી હું કાઢતો નથી. આ તો સૂર્યના પાવરથી થાય છે. હવે સૂર્યને આપણે પૂછીએ કે તમે કેમ આ કરો છો ? તો હું જો કરતો હોઉં તો જંગલોમાં, શહેરોમાં થાય. એટલે આ તો એક નિમિત્ત જ છે ખાલી, બે ભેગા થયાનું. અને રોંગ બિલિફ છે તમારી. 'હું ચંદુભાઈ છું' એ રોંગ બિલિફ છે. એ રોંગ બિલિફ છૂટી ગઈ એટલે તમે જે છો એમાં આવી ગયા. એટલે ખલાસ થઈ ગયું આખું કામ ! અને ચિત્ત એ તો ચૈતન્યવાળું થયું છે. આ અહીં આગળ પેલું લોહચુંબક હોય, લોહચુંબકનો ટુકડો મૂક્યો હોય અને અહીં ટાંકણી હોય તે આમ આમ ફેરવીએ તો ટાંકણી હાલે કે ના હાલે ? પ્રશ્નકર્તા : હાલે. દાદાશ્રી : એવી રીતે ચિત્ત આત્માના લોહચુંબકના ગુણથી હાલ્યા કરે છે. લોહચુંબક ગુણ એ સ્વભાવિક ગુણ છે. એ ચિત્ત ચૈતન્યમય થયું છે. પણ ચૈતન્યમય કેટલીવાર ? આ પેલાં લોહચુંબક ગુણને લઈને હાલે છે. એ ચિત્તને શુધ્ધ કરવાનું છે. ભટકવાનું કાર્ય ચિત્તનું ! ચિત્ત એ તો અંતઃકરણનું ત્રીજું અંગ છે. ચિત્તનું કાર્ય ભટકવાનું છે. એ જેમ છે તેમ ફોટા પાડી આપે. અહીં બેઠા બેઠા અમેરિકાની ફિલ્મ જેમ છે તેમ દેખાડે એ ચિત્ત છે. મન તો આ શરીરની બહાર જ ના જાય. શરીરની બહાર જાય છે અને બહાર ભટકે છે તે અશુધ્ધ ચિત્ત. શુધ્ધ ચિત્ત તે જ શુધ્ધ આત્મા. ચિત્ત એટલે જ્ઞાન-દર્શન, આ બે ગુણનો અધિકારી એ ચિત્ત. આ બન્ને ય ગુણ અશુધ્ધ હોય તો એ અશુધ્ધ ચિત્ત કહેવાય અને શુધ્ધ હોય તો શુધ્ધ ચિત્ત કહેવાય. શુધ્ધ જ્ઞાન + શુધ્ધ દર્શન = શુધ્ધ ચિત્ત = શુધ્ધાત્મા. અશુધ્ધ જ્ઞાન + અશુધ્ધ દર્શન = અશુધ્ધ ચિત્ત = અશુધ્ધાત્મા. અહીં બેઠા હોય ને પરદેશમાં જોઇ આવે, ઘર-બર બધું જોઇ આવે. એ જોઇ આવવાનો, જાણી આવવાનો સ્વભાવ એ ચિત્તનો છે; જ્યારે મનનો સ્વભાવ પેમ્ફલેટ દેખાડવાનો છે. મન એક પછી એક પેમ્ફલેટ દેખાડે. લોકો તો પાડાને વાંકે પખાલીને ડામ દે છે, કહે છે કે, 'મારું મન ભટકે છે !' મન ક્યારેય આ શરીર છોડીને બહાર ના જઇ શકે, જાય છે તે ચિત્ત છે. લોકો તો મનને ઓળખતા નથી, ચિત્તને ઓળખતા નથી, બુદ્ધિને ઓળખતા નથી ને અહંકારને ય ઓળખતા નથી. અરે ! અંતઃકરણ, અંતઃકરણ એમ ગાય છે પણ અંતઃકરણને સમજતા નથી. આ અંતઃકરણમાં પહેલો મહીં પ્યાલો ફૂટે પછી જ બહાર પ્યાલો ફૂટે. મન પેમ્ફલેટ બતાવે ને ચિત્ત પિક્ચર દેખાડે. એ બેની ગડમથલ. બુદ્ધિ ડિસીઝન આપે અને અહંકાર સહી કરે એટલે કાર્ય થાય. આવી રીતે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારની વાત કોઇ શાસ્ત્રોમાં ય સમજણ નથી પાડી. આ ચિત્ત તો અંદરે ય ભટકે છે ને બહારે ય ભટકે છે. મગજમાં શું બને છે એ ચિત્ત જોઇ આવે છે. ચિત્ત એ અવસ્થા છે. અશુધ્ધ જ્ઞાન-દર્શનનાં પર્યાય તે ચિત્ત. બુદ્ધિ ડિસીઝન આપે તે પહેલાં મન, ચિત્તની ઘડભાંજ ચાલે, પણ ડિસીઝન થયા પછી બધાં ચૂપ. બુદ્ધિને બાજુ પર બેસાડે તો ચિત્ત કે મન કંઈ જ નડતું નથી. અનાદિ કાળથી ચિત્ત નિજ ઘર ખોળે છે. તે ભટક્યા જ કરે છે. તે ભાતભાતનું જોયા કરે છે. એટલે જુદું જુદું જ્ઞાન-દર્શન ભેગું થાય છે અને ચિત્તવૃત્તિ જે જે જુએ તેનો સ્ટોક કરે છે. અને વખત આવ્યે આમ છે, આમ છે એમ દેખાડે છે. ચિત્ત જે જે કંઈ જુએ છે તેમાં જો ચોંટી ગયું તો તેનાં પરમાણુઓ ખેંચે છે અને તે પરમાણુઓ ભેગાં થઈ તેની ગ્રંથિઓ થાય છે, જે મન સ્વરૂપ છે. અને વખત આવ્યે મન પેમ્ફલેટ દેખાડે છે, ચિત્ત ફોટા દેખાડે છે, બુદ્ધિ ડિસીઝન આપે છે. ચિત્તે ગરબડ કરી, મને અભિપ્રાય ધરી ! પ્રશ્નકર્તા : હવે ચિત્તનું જરા બરાબર સમજાવો કે ચિત્ત ક્યાં ક્યાં ગરબડ કરે છે ? દાદાશ્રી : ચિત્ત બધું જોઈ આવે છે. ગયા અવતારની જે ફિલમ પડેલી છે, તેને ચિત્ત જુએ છે અને એમાં મન છે તે અભિપ્રાયો બાંધે છે. પ્રશ્નકર્તા : પણ રાગ ને દ્વેષ કરાવે છે, એ મન કરાવે છે ? દાદાશ્રી : ના, મન તો ખાલી અભિપ્રાય આપે છે કે આ સારું છે ને આ ખરાબ છે, આ સારું છે ને આ ખરાબ છે. પ્રશ્નકર્તા : અને મન માટે તો તમે કહેલું કે એ અભિપ્રાય અને ગાંઠોથી બનેલું છે. દાદાશ્રી : મન એ તો વસ્તુ જ નથી. એ તો તમારા ખાલી અભિપ્રાય જ છે અને તે તમારાં શું અભિપ્રાય હતાં તે દેખાડે છે. પ્રશ્નકર્તા : તો પછી આપણા સંસારનું મુખ્ય કારણ મન છે કે ચિત્ત છે ? દાદાશ્રી : ચિત્ત છે. તમે છે તે કોઈ જગ્યાએ ગયા હોય અને ભડક્યા હો, તો તમારું ચિત્ત વારે ઘડીએ ત્યાં જ જાય. તે તમને ઘેર બેઠાં ભડકાય ભડકાય કરે. પ્રશ્નકર્તા : તમે કહો છો ને અભિપ્રાય તો મન આપે છે ત્યારે ભડકાવે છે શું ? દાદાશ્રી : અભિપ્રાય તો મન બાંધે છે, બાકી ચિત્ત જ ભડકાય ભડકાય કરે છે. ભડકવાની ફિલ્મ જોઈ, તે ભડકાટ ભડકાટ કર્યા કરે. બાકી ચિત્ત બધું જોયા કરે છે. હવે એ અભિપ્રાય તો એને જે જ્ઞાન મળેલું છે, તેનાં આધારે એ આપે છે. પ્રશ્નકર્તા : પણ માણસને બાંધે છે શું ? દાદાશ્રી : ચિત્ત જ બાંધે છે ને ! ચિત્ત અને મનની ભાગીદારી કેટલી ? પ્રશ્નકર્તા : કોઈ વિચાર આવ્યો તેની સંગાથે એનું જ્ઞાન ને દર્શન પણ શરૂ થઈ જાય. એટલે દ્રશ્ય આખું દેખાય, વિચાર જોડે જ. એવું બને ? દાદાશ્રી : દ્રશ્ય દેખાય એ ચિત્ત જોડે ભેગું થઈ જાય. પ્રશ્નકર્તા : એટલે જ્યારે જ્યારે કોઈ પણ જાતનો વિચાર આવે, તો ચિત્ત હઉ કામ કરતું હશે? દાદાશ્રી : ચિત્ત ભેગું થઈ જાય તો કરે, નહીં તો ના કરે. જો ચિત્ત ભેગું થઈ જાય તો બેઉ સાથે કામ કરે. પેલું વિચારવાનું અને આ જે વિચાર્યું તે આ જ દ્રશ્ય દેખાડે. પ્રશ્નકર્તા : મેં બહુ વખત માર્ક કરેલું, વિચારનું સ્પંદન ઊભું થયું, તો ચિત્ત જોડે કામ કરે. દાદાશ્રી : એ દરેક બાબતમાં ના થાય. અમુક જ બાબતમાં થાય. જે દ્રશ્ય હોય આપણને પ્રિય કે અપ્રિય હોય, તે જ આવે. પ્રિય-અપ્રિય ના હોય તો કશું આવે નહીં. વીતરાગને કશું આવે નહીં. આ આવે છે તે પાછલાં પરિણામ છે, નવાં પરિણામ નથી. હવે આ જ્ઞાન મળ્યા પછી બુદ્ધિ એકલી જ તમને હેરાન કરે. તે તમારે એની પાસે સાચવવાનું. બીજું કોઈ રહ્યું નથી. ચિત્ત શુધ્ધ થઈ ગયું. અને જેટલી અશુધ્ધિ થોડી રહી હોય તે આપણા પુરૂષાર્થથી બધી જતી રહે. અવિરોધાભાસ હોય એ સાચું જ્ઞાન, જેનો તાળો મળે. તમને તાળો મળે કે ? તમે વેપારી લોકો, તાળો કાઢો. આ જ્ઞાનના પ્રતાપથી શુધ્ધિ ચિત્તની થાય. એટલે સ્ટેડીનેસ(સ્થિરતા) થાય. પ્રશ્નકર્તા : આ જે દ્રષ્ટિ સૃષ્ટિ છે. એ ચિત્તની છે ? દાખલા તરીકે, આપણે આ દિવાસળીની પેટી જોઈ. હવે મને એમ થાય કે મહીં ખખડે છે, માટે દિવાસળીઓ છે અને મારે બીડી પીવા જરૂર પડશે એથી એને ગજવામાં મૂકી. એટલે આની જરૂર પડશે, એ ચિત્ત કરે છે કે મન કરે છે ? દાદાશ્રી : અહીં ચિત્ત કામ કરતું નથી. આ બીડી પીવી છે, એ બધું મનનો પ્રભાવ છે અને બુદ્ધિનો પ્રભાવ છે. કાર્ય થઈ જાય, નિર્ણય થઈ જાય ત્યારે બુદ્ધિ કરે છે અને ત્યાં સુધી મનનો પ્રભાવ છે. એટલે ખોટું-ખરું કાર્ય કરવું એ બુદ્ધિના હાથમાં છે. બુદ્ધિ ના પણ કરવા દે. મન ગમે તે એટલું ડહાપણ કરે પણ બુદ્ધિ ના કરવા દે. અને ચિત્તનું કાર્ય તો, શું આપણે જોયું, શું શું કામ લાગશે એના બધાં આપણને સ્વભાવ દેખાડે. એટલે બીડી સળગાવવી છે એટલે આ પેટી લઈ લેવી છે. આમ કરવું છે, એવું દેખાડે. પણ 'લઈ લો' એમ ના કહે. અસ્તિત્વનાં સ્વભાવ દેખાડે. એ કામ લાગશે ને એ બધું, એટલે જ્ઞાન-દર્શન દેખાડે. આ બધાંના મૂળમાં તો અહમ્ ! અશુધ્ધ ચિત્ત એ સંસારી મટીરિયલ્સ દેખી શકે અને ભૌતિકને દેખી શકે. અને શુધ્ધ ચિત્ત અધ્યાત્મને દેખી શકે, અધ્યાત્મના બધા સાધનો દેખી શકે. પ્રશ્નકર્તા : એટલે શુધ્ધ ચિત્ત હોય તો એ અધ્યાત્મની જે વસ્તુઓ હોય એ જોઈ શકે ? દાદાશ્રી : બધું ચોખ્ખું દેખાય. એ જ સમ્યક્ દ્રષ્ટિ, અને એ જ આત્મા છે. અને પરાકાષ્ટાએ એ જ આ પરમાત્મા છે. અહીં તો આખુંય જગત ચિત્તની શુધ્ધિ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે પણ એનો રસ્તો જાણતા નથી અને આ મનની પ્રક્રિયામાં જ લપટાયું છે. પ્રશ્નકર્તા : એ અશુધ્ધ ચિત્તથી અહમ્ભાવ ઊભો થાય છે ? દાદાશ્રી : અહમ્ભાવથી અશુધ્ધ ચિત્ત કહેવાય છે. એટલે મૂળ અહમ્ભાવ છે ને આ મારો છોકરો, આ મારાં વાઈફ, આ મારાં સસરા એ બધું અશુધ્ધ ચિત્ત થતું ગયું પછી. પ્રશ્નકર્તા : મૂળ અહમ્ભાવ છે ? દાદાશ્રી : હા, મૂળ અહમ્ભાવ. અહમ્ભાવ ના હોય તો કશું ય ના થાય. અહમ્ભાવ ના હોય તો અશુધ્ધ ચિત્ત હોતું જ નથી. શુધ્ધ ચિત્ત હોય છે. એટલે બધું અહમ્ભાવને લીધે છે આ. ચિત્ત જ્ઞાન-દર્શન સ્વરૂપે છે. 'એવિડન્સ' ભેગા થાય છે ત્યારે તે 'ડિસ્ચાર્જ' થાય છે ને તેમાંથી પાછો પોતે ભ્રાંતિથી 'ચાર્જ' કરે છે. એ ભગવાનનાં દર્શન કહેવાય ? પ્રશ્નકર્તા : પૂજા કરતી વખતે મને એકાદ ક્ષણ સુધી ચમકારો થાય છે, શું એ આત્મ ઓજસ છે ? દાદાશ્રી : એ લાઇટ એ તો ચિત્તના ચમત્કાર છે. એમાં શ્રદ્ધા બેસે એટલે એ સ્થિરતા લાવે છે. આત્માની લાઇટ એ કલ્પી કલ્પાય નહીં એવી છે. મને કોઇ કહે કે, 'મને મહાવીર ભગવાન દેખાય છે.' તો હું કહું કે, 'આ તો બહાર જોયેલી મૂર્તિ છે તે દેખાય છે, પણ એ તો દ્રશ્ય છે, એ દ્રશ્યનો દ્રષ્ટા ખોળ ! દ્રષ્ટિને દ્રષ્ટામાં રાખ ને જ્ઞાનને જ્ઞાતામાં રાખ તો કામ થાય.' ઘણાંને ધ્યાન થાય એટલે સૂર્યનાં તેજ જેવું અજવાળું અજવાળું દેખાય છે. એ શું છે ? એ ચિત્ત ચમત્કાર છે. ચિત્તની એકાગ્રતા થાય એટલે એવું બધું થાય ! ચિત્ત ચમત્કારની ગજબની શક્તિ છે. કેટલાંક કહે છે કે, 'કૃષ્ણ ભગવાનનાં મહીં દર્શન થાય છે.' અલ્યા, યોગેશ્વર કૃષ્ણનાં દર્શન મહીં થાય છે ? એ શી રીતે થાય ? એ તો દેખાય ત્યારે ને ? ! આ તો બીજા દેખાય, જે જોયા હોય-તે ફોટામાંના જ સ્તોને ! આ આત્મા ન હોય, એ તો ચિત્ત ચમત્કાર છે, એ કૃષ્ણને જોનાર આત્મા છે. છેવટે દ્રષ્ટિ દ્રષ્ટામાં નાખવાની છે, આ તો દ્રષ્ટિ દ્રશ્યમાં નાખે છે ! પ્રશ્નકર્તા : અનાહત નાદ એટલે શું ? દાદાશ્રી : આ શરીરમાં કોઇ પણ જગ્યાએ ધબકારા થાય, ત્યાં આગળ ચિત્ત એકાગ્ર થઇ જાય તે. આ અનાહ્ત નાદ ને એ બધાંમાં દ્રષ્ટિ દ્રશ્યમાં નાખે. જ્ઞાન જ્ઞાતામાં પડયું અને દ્રષ્ટિ દ્રષ્ટામાં પડી તો કામ થઇ ગયું ! કુંડલિનીમાં પણ તેમ કરે છે, એનાથી પણ મોક્ષ ના થાય. આવાં બહુ સ્ટેશનો હોય, છેલ્લું સ્ટેશન આવે એટલે કામ પૂરું થાય. કુંડલિનીમાં બધા ચિત્ત ચમત્કાર છે, એમાં આત્માનું કશું જ નથી. જૈનોએ કહ્યું, 'આત્મજ્ઞાન વિના છૂટકો નથી.' વેદાંતીઓએ ય કહ્યું, 'આત્મજ્ઞાન વિના છૂટકો નથી.' અનાહત નાદ, અલ્યા, એ તો નાદ છે અને નાદ એ તો પૌદ્ગલિક છે, એમાં આત્મા ન હોય. 'આપણે કોણ છીએ?' એ જ્ઞાન - 'હું શુધ્ધાત્મા છું' એ જ્ઞાતામાં પડે, ત્યાર પછી વિકલ્પ ના રહે. જ્ઞાન જ્ઞાતામાં ના પડે ત્યાં સુધી વિકલ્પ રહે, દ્રષ્ટિ દ્રષ્ટામાં ના પડે ત્યાં સુધી 'સંકલ્પ' રહે ! એ છે ચિત્ત ચમત્કાર ! પ્રશ્નકર્તા : સિદ્ધયોગીઓને ધ્યાનમાં આજ્ઞાચક્ર જ્યોતિ દેખાય છે તે શું છે ? તે કેટલા અંશે સત્ય છે ? દાદાશ્રી : આ ચક્રોમાં જે જ્યોતિઓ દેખાય ને, તે જ્યોતિ જ ન હોય ! એ તો ચિત્તના ચમત્કાર છે. આ લોકો સિદ્ધે ય નથી. એ તો યોગી જ ના કહેવાય. એને મનોયોગી કહેવાય. એટલે ભૌતિક યોગીઓ. આત્મયોગી એ સાચા યોગી. આ ધ્યાને ય નથી, આ તો એકાગ્રતા છે અને વ્યગ્રતાનો રોગ થયેલો હોય તેને એકાગ્રતા કામની. તમને વ્યગ્રતાનો રોગ નહીં ને કોઈ દહાડો ? એટલે વ્યગ્રતાનો રોગ હોય તેને એકાગ્રતા કરવી હોય તો આ દવા ચોપડે ત્યારે રાગે પડે. એટલે વ્યગ્રતાના રોગીઓનું કામ. આ મજૂરોને કહીએ કે એકાગ્રતા કરો જોઈએ. તો ના કરે. એને વ્યગ્રતાનો રોગ જ નહીં ને ! એટલે સમજાય છે ને ? એ જ્યોતિ બ્યોતિ ન હોય, એ ચિત્તના ચમત્કાર થાય આમ ત્યાં. પ્રશ્નકર્તા : એ રચના પોતે જ રચીને ત્યાં ? દાદાશ્રી : ના. એ બધાં ચિત્ત ચમત્કાર છે. ચિત્તના ચમત્કાર હોય છે આ બધા. જ્યાં સુધી આત્મા પ્રાપ્ત ના થાય, ત્યાં સુધી આ જગતમાં કંઈ પણ થાય છે એ ચિત્તના ચમત્કારો છે. જેટલું જેટલું ચિત્ત નિર્મળ થતું જાય એમ ચમત્કારી થતું જાય. એ જાતજાતનાં ચમત્કારો કરે. એટલે આ બધા ચિત્ત ચમત્કારો થયા જ કરે અને લોકો એની મસ્તીમાં રહે છે. અહીં આગળ ભૂરું અજવાળું દેખાય, લીલું અજવાળું દેખાય, આમ થાય તેમ થાય. આ તો સારું છે, પણ કુંડલિનીવાળાને તો બહુ દેખાય. અને એમાં જ મસ્તી. કુંડલિનીવાળા અમને ઓળખી જાય કે આ જ્ઞાની છે. ઓળખતા વાર ના લાગે. એક ફેરો ગાડીમાં હું બેઠેલો ને ટિકિટ ચેકર ત્યાં આવ્યો ને મને ઓળખી ગયો !! જે' જે' કરવા લાગ્યો ! શી રીતે તમને ખબર પડે ? આ માળા ઉપરથી ? ત્યારે કહે, 'માળા તો ઘણાં પહેરે છે.' મેં કહ્યું, 'આ કોટ-ટોપી ઉપરથી ?' ત્યારે એ કહે, ના. પછી થોડીવાર વાતો થઈ એટલે હું સમજી ગયો કે આ સાધક છે, કુંડલિનીવાળો છે, એ ઓળખી જાય. પ્રશ્નકર્તા : આપણા જ્ઞાનનું તેજ તો જુદું છે. આ તો મને કોઈવાર જ લાઈટ દેખાય છે, તે શું છે ? દાદાશ્રી : એ તો પ્રજ્ઞાને લઈને થાય છે. અશુધ્ધ ચિત્ત પર જ્યારે તું ઉપયોગ દઉંને તો ચમત્કાર ઊભાં થાય. ચિત્તશક્તિથી ચમચા ય વળે ! પ્રશ્નકર્તા : એક ચોપડીમાં વાંચવામાં આવેલુ કે એક પુરૂષે પોતાનો દેહપ્રભાવ, શક્તિનો પરિચય કાર્યક્રમ દ્વારા આપ્યો, તે ઘરમાં ટેબલ ઉપરનાં ચમચા, છરી, કાંટા વળી ગયા હતા. ચીજવસ્તુઓ ખસી ગઈ હતી તો આ કેવી રીતે બન્યું હશે ? શું આ સાચું છે ? દાદાશ્રી : સાચું છે. પ્રશ્નકર્તા : કેવી રીતે બની શકે ? દાદાશ્રી : તમે ચિત્તની શક્તિ એક જગ્યાએ બરાબર મૂકોને, એક જ વસ્તુ ઉપર, તો એ વસ્તુમાં ફેરફાર થઈ જાય. તે પછી ઘણો કાળ સુધી રહેવી જોઈએ. તમે એક વસ્તુ પર મૂકોને ચિત્તશક્તિને, તો એનું વસ્તુનું શું નું શું ય કરી નાખે. પ્રશ્નકર્તા : એક જ વસ્તુનો સવાલ નથી, બધી વસ્તુઓ માટે થાય ને ? દાદાશ્રી : હા, બધી વસ્તુનું થાય. અરે, માણસ હઉ ટાઢો થઈ જાય. ચિત્તશક્તિ એટલી બધી જબરજસ્ત શક્તિ છે. પણ તે બધા કોણ કરી શકે ? હ્રદયશુધ્ધિવાળા. બીજા લોકોનું ગજું નહીં. ચિત્તની શુધ્ધતા, સનાતન વસ્તુમાં એકતા ! પોલીસવાળો બૂમ પાડતો આવે, હાથકડી લઈને આવે તો ય આપણને કશી અસર ના થાય એનું નામ વિજ્ઞાન. પ્રશ્નકર્તા : તો પછી ચિત્ત શેમાં રાખવું ? મંત્ર જાપમાં રાખવું ? દાદાશ્રી : ચિત્ત પોતાના સ્વરૂપમાં રાખવાનું છે. જે નિરંતરનું હોય તેમાં ચિત્ત રાખો. ચિત્ત સનાતન વસ્તુમાં રાખવાનું છે. મંત્રો એ સનાતન વસ્તુ નથી. એક આત્મા સિવાય આ જગતમાં કોઈ વસ્તુ સનાતન નથી. બીજું બધું 'ટેમ્પરરી એડજેસ્ટમેન્ટ' છે ! ઓલ ધીઝ રીલેટિવ્ઝ આર ટેમ્પરરી એડજેસ્ટમેન્ટ! 'પરમેનન્ટ' એક આત્મા એકલો જ છે. સનાતન વસ્તુમાં ચિત્ત બેસી ગયું, પછી એ ભટકે નહીં અને ત્યારે એની મુક્તિ થાય. મંત્રોના જાપ કરતા હોય તેમાં ચિત્ત કયાં સુધી રહે ? જ્યાં સુધી પોલીસવાળો આવ્યો નથી ત્યાં સુધી. પોલીસવાળો આવ્યો કે જાપે ય ઊડી જાય ને, ચિત્તે ય ઊડી જાય. એટલે એ 'ટેમ્પરરી એડજેસ્ટમેન્ટ' છે. 'રિલિફ' આપે, શાંતિ આપવામાં મદદ કરે, પણ કાયમનું કામ કરે નહીં. આ જપયોગની જરૂર છે ખરી, પણ જ્યાં સુધી સનાતન વસ્તુ ના મળે ત્યાં સુધી. ચિત્ત સનાતનમાં મળી ગયું એ શુધ્ધચિત્ત થઈ ગયું અને શુધ્ધાત્મા થઈ ગયો એટલે વિદેહી થઈ ગયો અને વિદેહી થઈ ગયો એટલે મુક્તિ થઈ ગઈ. વિદેહી થવાની જરૂર છે. આ તો દેહી કહેવાય. 'હું ચંદુભાઈ છું' ત્યારથી જ ભ્રાંતિ. ''જ્ઞાની પુરુષ'' આપણી ઊંઘ ઉડાડે છે. જગત આખું ઉઘાડી આંખે ઊંઘે છે. ઊંઘવું એટલે 'હું આ કરું છું', 'હું કર્તા છું' એવું ભાન રહે છે. આ વર્લ્ડમાં કોઈ માણસ એવો જન્મ્યો નથી કે જેને સંડાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય અને પોતાની જે શક્તિ છે તેને પોતે જાણતો નથી. પોતાની શક્તિ સ્વક્ષેત્રમાં છે. પોતાની શક્તિ ક્ષેત્રજ્ઞ છે. એ ક્ષેત્રજ્ઞ શક્તિ ઉત્પન્ન થઈ ગઈ એટલે કામ થઈ ગયું. સંપૂર્ણ શક્તિ ક્ષેત્રજ્ઞ છે. આ જપયજ્ઞ બહુ સુંદર સાધન છે, પણ જ્યાં સુધી નિષ્પક્ષપાતી ભાવ ઉત્પન્ન ના થાય ત્યાં સુધીનું એ સાધન છે. એ સાધ્ય વસ્તુ નથી. સાધ્ય ક્ષેત્રજ્ઞ છે. પોતાનો સ્વભાવ ક્ષેત્રજ્ઞ છે. એ સ્વભાવ ઉત્પન્ન થાય એ સાધ્ય છે. જોયા કરવું ચિત્તને.... પ્રશ્નકર્તા : શુધ્ધાત્મા ચિત્તને પણ જોઈ શકે ? દાદાશ્રી : હા. ચિત્ત ક્યાં ફરે છે એ શુધ્ધાત્મા જોઈ શકે છે ! પોતાને ખબર પડે કે ચિત્ત અત્યારે અહીં આમાં છે નહીં. આ પેલા મકાનમાં જોવા ગયું છે. પ્રશ્નકર્તા : શરીરની અંદર અશુધ્ધ ચિત્ત હોય ? કે જે શુધ્ધાત્મા છે એ જ હોય ? દાદાશ્રી : અશુધ્ધ ચિત્ત તો ખરુંને. અશુધ્ધ ચિત્ત છે તેથી તો બહાર ભટકે છે. નહીં તો ભટકે નહીં ને. પ્રશ્નકર્તા : એટલે પહેલાં અહીંયા શરૂઆત થાય છે. દાદાશ્રી : અહીંથી શરૂઆત થાય છે એ અશુધ્ધ ચિત્ત તદ્દન નાશ થઈ જાય એટલે કશું ભટકે નહીં, અંદર નાશ થઈ જાય. એ અશુધ્ધ ચિત્ત રહે નહીં, ખલાસ થઈ જાય. શુધ્ધ થઈ જાય. આત્મા શુધ્ધ થયો, ચિત્ત શુધ્ધિ કરવાની છે હવે. પ્રશ્નકર્તા : કેટલીક વખત હું જ્ઞાતા-દ્રષ્ટા હોઉં, પણ તો ય એટ એ ટાઈમ નથી રહેતું. દાદાશ્રી : પણ ચિત્ત જતું રહે ને બહાર ? પ્રશ્નકર્તા : ચિત્ત જતું રહે છે. દાદાશ્રી : તે અશુધ્ધ છે. એ અશુધ્ધિ જવી જોઈએ હવે, તમારે શું કરવાનું ? એ અશુધ્ધિ એટલી જ બંધ કરવાની. પ્રશ્નકર્તા : પણ એ જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી જશે ને ? દાદાશ્રી : એ તમે જ્ઞાતા-દ્રષ્ટા રહો તો એ એની મેળે ઊડી જાય. અને નહીં તો પ્રતિક્રમણ કરવું પડે. પ્રશ્નકર્તા : હમણાં ચિત્ત વિશે ઘણાં પ્રતિક્રમણ કર્યા ને તો આખું મારા દર્શનમાં ફેર પડી ગયો. દાદાશ્રી : હા. પ્રતિક્રમણથી બધો ફેર પડી જાય. દાદાશ્રી : તે આપણે જોયા કરવાનું. તું જોયા કરું છું ને ? પ્રશ્નકર્તા : હા. ચિત્ત ઠેકાણે રહે કૃપાથી ! પ્રશ્નકર્તા : હવે જેમ મનને જગત કલ્યાણમાં પરોવી દઈએ તો ઠેકાણે રહે, તેમ ચિત્તને ઠેકાણે રાખવા શું કરવું ? દાદાશ્રી : ચિત્તને ઠેકાણે રાખવા માટે તો અમારી કૃપા પ્રાપ્ત કરવી, ત્યાર વગર ચિત્ત ઠેકાણે ના રહે. ચિત્ત જ્ઞાની પુરૂષની કૃપાથી ઠેકાણે રહે ? આ ચિત્ત એટલું બહાર ભટકે, ખુદાબક્ષ હોય એવું. એ જો કદી ઠેકાણે આવ્યું તો પછી કશું કરવાનું રહેતું જ નથી. પ્રશ્નકર્તા : શુધ્ધ ચિત્ત એટલે આપણે શુધ્ધ જ્ઞાન-દર્શનથી પોતામાં રહેવું અને સારું સંગીત વાગતું હોય તે વખતે તો એને જાણવું ? દાદાશ્રી : બેઉ કામ સાથે જ થાય. બેઉ સાથે થાય તો જ કેવળજ્ઞાન કહેવાય. ચિત્ત અને પ્રજ્ઞા ! પ્રશ્નકર્તા : પ્રજ્ઞાશક્તિ બહાર જાય ? ચિત્તની જેમ ? દાદાશ્રી : ચિત્ત એકલું જ ભટકવાનું. પછી શુધ્ધ થાય એટલે ભટકે નહીં. અશુધ્ધ ચિત્ત ભટક ભટક કરે. અરે ! મહેફિલમાં હઉ જઈ આવે કે જ્યાં બ્રાંડીની બાટલીઓ ઊડતી હોય ! ચિત્તની શક્તિઓ બહુ ભારે છે. તેથી જ લોકો કંટાળી જાય છે ને ! આ મન લોકોને એટલું બધું હેરાન કરતું નથી, પણ ચિત્ત બહુ હેરાન કરે. મન તો બે કામ કરે છે એક સારા વિચાર ફૂટે ને એક ખરાબ વિચાર ફૂટે - કોઠીમાંથી ફૂટે એમ. વિચારો એ જ્ઞેય વસ્તુ છે ને 'આપણે' 'જ્ઞાતા' છીએ. આ તો ભ્રાંતિને લઈને એમ લાગે છે કે મને વિચાર આવ્યા. પ્રશ્નકર્તા : ચિત્ત અને પ્રજ્ઞામાં ફેર શો ? દાદાશ્રી : ચિત્ત તો જે પૂર્વ જોયેલું હોય તે જ દેખે અને પ્રજ્ઞા તો નવું જ દેખે. પોતાના દોષ દેખાડે તે પ્રજ્ઞા. ચિત્ત બધાંને જુએ પણ પ્રજ્ઞાને ના જોઈ શકે. પ્રજ્ઞાને તો આપણે જોઈ શકીએ. ચિત્ત જોયેલું દેખે; જ્યારે પ્રજ્ઞા વિશેષ જાણે. પ્રશ્નકર્તા : વિશેષ જ્ઞાન અને સંચિત જ્ઞાનમાં શો ફેર ? દાદાશ્રી : વિશેષ જ્ઞાનમાં બુદ્ધિ વપરાય અને સંચિત જ્ઞાનમાં ચિત્ત વપરાય. બુદ્ધિ કોઈ વાર ખોટી પડે કે, 'આ ઝાડ મેં કયાંક જોયું છે, ભૂલી ગયો છું' એમ બુદ્ધિને ફેરવ ફેરવ કરવી પડે. એ છે જ્ઞાન-દર્શન... પ્રશ્નકર્તા : બુદ્ધિ એ જ્ઞાન ને દર્શન છે ને ? દાદાશ્રી : ના. આ ચિત્ત છે ને તે જ્ઞાન ને દર્શન ભેગું છે. સાંસારિક જ્ઞાન-દર્શન છે એને અશુધ્ધ ચિત્ત કહેવાય છે અને આત્માનું જ્ઞાન-દર્શન છે તેને શુધ્ધચિત્ત કહેવામાં આવે છે. એટલે ચિત્ત શુધ્ધિ કરવી એટલે જ્ઞાન-દર્શન શુધ્ધિ કરવાની. જ્ઞાન-દર્શન શુધ્ધ કરવા માટે તમે પૂછો છો ? હવે આમ પેલું ચિત્ત જુદું જાણે એટલે પછી જાણે કે આ તો જ્ઞાન-દર્શન શુધ્ધ કરીએ છીએ. પણ પેલું ચિત્ત તો શુધ્ધ કરવાનું રહ્યું ને ? ના, ચિત્ત એટલે જ જ્ઞાન-દર્શન ! જ્ઞાન-દર્શન શુધ્ધ થયું એટલે ચિત્ત શુધ્ધ થઈ જ જાય ! ચિત્ત એટલે જ્ઞાન-દર્શન. કોઈ જગ્યાએ જુએ, જાણી આવે એનું નામ ચિત્ત. જોવાનું ને જાણવાનું કામ કરી આવે. પ્રશ્નકર્તા : જોયેલું-જાણેલું એ ફરી જાણી આવે ? દાદાશ્રી : હા, ફરી જાણી આવે તે, પણ એનું નામ ચિત્ત કહેવાય. પ્રશ્નકર્તા : એ ચિત્તમાં દર્શન-જ્ઞાન છે કે જ્ઞાન-દર્શન છે ? દાદાશ્રી : જ્ઞાન-દર્શન બે ભેગું થાય ત્યારે ચિત્ત કહેવાય. પ્રશ્નકર્તા : હા, પણ એ જ્ઞાન-દર્શન કે દર્શન- જ્ઞાન ? દાદાશ્રી : એ તો બે, જે તમારે એડોપ્ટ(સ્વીકાર) કરવો હોય તો વાંધો નથી. પ્રશ્નકર્તા : પણ આપણે તો જ્યારે શબ્દ વાપરીએ કે જ્ઞાન અને દર્શન. દાદાશ્રી : મૂળ જ્ઞાન-દર્શન. એ તો આપણે દર્શન, જ્ઞાન કહીએ તે તો આપણા અક્રમનાં આધારે. બાકી મૂળ જે ચિત્ત છે એ જ્ઞાન-દર્શન. પ્રશ્નકર્તા : તો પછી જ્ઞાન અને ચિત્તમાં ફરક શો રહે છે ? દાદાશ્રી : ચિત્તમાં જ્ઞાન અને દર્શન બે ભેગું હોય. પેલું જ્ઞાન અને જ્ઞાન એકલું જ હોય. આપણી ઓફિસમાં ચિત્ત જાય ને ત્યાંની ખુરશીઓ, ટેબલો એકઝેક્ટ બધું જડ જુએ, તે તમને એકઝેક્ટ દેખાય કે ના દેખાય ? પછી બીજી કેટલીક વસ્તુઓ ઝાંખી દેખે એ દર્શન છે. અને એ એકઝેક્ટ દેખાય છે એ જ્ઞાન છે, એનું નામ ચિત્ત. જ્ઞાન અને દર્શન બેનું ભેગું થયેલું સ્વરૂપ એને ચિત્ત કહે છે. આ વાત પબ્લિકને ખબર નથી. એ તો 'જ્ઞાની પુરુષ' જ જાણે. દર્શન એટલે કોને કહેવાય ? કે કંઈક છે એવો ભાસ થવો, પણ એક્ઝેક્ટલી ના દેખાય. અને જ્ઞાન એટલે બધું એક્ઝેક્ટલી દેખાય. પ્રશ્નકર્તા : એટલે ચિત્ત છે તે એને આપણે અરીસા જેવું કહી શકીએ ? દાદાશ્રી : અરીસો જ જોઈ લો ને ! ઝાંખો હોય ત્યારે દર્શન કહેવાય છે ને 'ફૂલ'(પૂર્ણ) હોય ત્યારે જ્ઞાન કહેવાય છે. ઝાંઝળું લાગતું હોય ને ત્યારે દર્શન કહેવાય ને ક્લીયર(સ્પષ્ટ) દેખાતું હોય ત્યારે જ્ઞાન કહેવાય. પ્રશ્નકર્તા : ચિત્તમાં જો જ્ઞાન-દર્શન હોય, તો ચિત્ત તો ભૂતકાળને ચોંટેલું કહેવાય ? દાદાશ્રી : એટલે જ કહું છું ને, મારું કહેવાનું કે જ્ઞાન-દર્શન હંમેશા ય વર્તમાનકાળનું જ હોય. ચિત્તની ફિલ્મ, સ્વતંત્ર... બુધ્ધિ જે પ્રકાશ આપે એ જ્ઞેયને જુએ એ અશુધ્ધ ચિત્ત, એ (ચિત્ત) જ્ઞેયાકારે જ્ઞેયને જુએ. એ ઘેર ટેબલ, ખુરશી એ બધાંને એક્ઝેટ જુએ, પણ એ શુધ્ધાત્માને ના જોઇ શકે. ચિત્ત અર્ધજીવતું છે અને મન બિલકુલ 'ફિઝિકલ' છે. પરાઇ વસ્તુમાં (સ્વ સિવાયની) ચિત્ત ચરે ત્યારે આવતા ભવનાં બીજ પડે. ચિત્ત હંમેશા ફોટા પાડે. ઝાંખા પાડે, ચોખ્ખા પાડે. ચિત્ત જે જુએ ત્યાં 'ફિલ્મ' પડે. 'આ સરસ છે, આ ખરાબ છે' એમ બે ભાવો ઉત્પન્ન થાય, ત્યાં કર્તાનો આરોપ કરે એટલે નવી 'ફિલ્મ' ચાર્જ થાય. તમે જેવા ફોટા પાડશો તેવી ફિલ્મ પડશે અને તે પાછી જોવી પડશે, ભોગવવી પડશે. માટે સારા ફોટા પાડજો . તમારી ફિલ્મ નકામી જવા ના દેશો. ચિત્ત પોતાની સ્વતંત્ર 'ફિલ્મ'ને લઈને ભટકે છે અને મન એ ગ્રંથિઓને લીધે છે. ચિત્તની જેટલી શુધ્ધિ થાય, પછી 'ફિલ્મ' પડતી એટલી બંધ થતી જાય. ચિત્ત અશુધ્ધ છે ત્યાં સુધી 'ફિલ્મ' પડ્યા જ કરવાની અને એ જ 'ફિલ્મ' છે સંસાર ! 'સ્વરૂપ જ્ઞાન'ની પ્રાપ્તિ પછી ચિત્તની નવી 'ફિલ્મો' પડતી બંધ થઈ જાય. મનનું જૂનું હોય તેટલું જ 'ડિસ્ચાર્જ' થયા કરે. નવું ઉત્પન્ન ના થાય. અહંકાર કામ કરતો બંધ થઈ જાય, જૂનો છે એટલો જ 'ડિસ્ચાર્જ' થાય. બુદ્ધિ પણ જૂની છે એ 'ડિસ્ચાર્જ' થયા કરે. નવી ઉત્પન્ન ના થાય. જ્ઞાનીનું ચિત્ત આખો દહાડો આત્મામાં જ હોય, સાપ જેમ મુરલીના તાનમાં સ્થિર હોય તેમ! પછી વ્યગ્રતા થાય જ નહીં ને ! ભૂમિકાઓ ચિત્તની.... ચિત્તની ભૂમિકા કેટલી ? પ્રશ્નકર્તા : એક ઠેકાણે મેં વાંચ્યું છે, કે ચિત્તની ચૌદ ભૂમિકા છે. અને એ મને સમજાવો. દાદાશ્રી : ચિત્તની ચૌદ ભૂમિકા નથી. પણ ચિત્તની ચૌદ લાખ યોનિ છે. હા, ત્યારે બોલો હવે, કઈ કઈ જગ્યામાં ચિત્ત જતું હશે ? મનુષ્યોમાં ય ચિત્તની ચૌદ લાખ યોનિ છે. બોલો હવે શી રીતે મેળ પડે આ ? તમારે મારો સાંધો મળે શી રીતે હવે ?! ચિત્તની ભૂમિકા હજુ જગત સમજી શક્યું નથી. અનંતમાંથી એક ચિત્ત ! પ્રશ્નકર્તા : આપે ચિત્તના ત્રણ ભેદ કહેલા, એક ચિત્ત, અનેક ચિત્ત અને અનંત ચિત્ત, એ ત્રણ ભેદ કેમ પાડ્યા ? દાદાશ્રી : એ તો જેટલા પાડવા હોય એટલા પડે. પણ ત્રણ મુખ્ય ભેદ આપણા લોકો પાડી આપે. જેમ ફર્સ્ટ કલાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ કલાસ હોય છે. એવું ત્રણ ભેદ સુધી મૂકે બધાં. વ્યવહારિક ચિત્ત ત્રણ પ્રકારનું છે : (૧) 'અનંત ચિત્ત' એની સ્થિરતા જ ના હોય. (૨) 'અનેક ચિત્ત' એની સ્થિરતા હોય તેથી તો દેરાસરે કે મંદિરે જાય છે. (૩) 'એક ચિત્ત' એ થાય તો કામ જ કાઢી નાખે. અનંત ચિત્તનું તો કંઈ ઠેકાણું જ ના હોય ને ? એ ચિત્ત તો ઘેર જ ના આવે. ભટક, ભટક ભટક અને અનેક ચિત્ત ઘેર આવેય ખરું અને એક ચિત્ત તો જ્યાં પોતે હોય ત્યાં હોય જોડે ને જોડે. જ્યાં દેહ પોતે હોય, ત્યાં પોતે જોડે ને જોડે હોય. એ એક ચિત્તની તો વાત જ જુદી ને ! એક ચિત્ત થઈ ગયું એટલે થઈ રહ્યું. પછી પાછાં બે ચિત્તે ય થઈ જાય, ચિત્ત ભ્રમનો રોગ થાય. ચિત્ત ભ્રમ થાય એટલે બે ચિત્ત કહે આપણા લોકો. એક ચિત્ત તો નથી, પણ બે ચિત્ત કહે. તે બે ચિત્ત થાયને તેને આ દીવો છે ને એક, તે ય બે દેખાય, એક દીવો છે તે બે દેખાય, માણસો છે તે બે દેખાય. આ બે દેખાય. બધા બે દેખાય. એટલે આપણા લોક કહે, બે ચિત્ત થઈ ગયેલો છે. છે એક ને બે દેખાય, એવું સાંભળેલું નહીં ? કેટલાંકનું ચિત્તભ્રમ થઈ ગયું હોય પાછું ! આ કેટલાક રોડ ઉપર આમ આમ ચાલતા હોય છે ને, એ એનું નામ-બામ બધું ભૂલી ગયો હોય. આ કાળની વિચિત્રતા હોય. કર્મોના પુષ્કળ બોજાં, પાર વગરનાં બોજા. ખીચોખીચ કર્મો ભરેલાં છે અને નર્યો મોહ વધારે છે. બહુ મોહ એટલે બળતરાં ય વધારે, પુષ્કળ બળતરાને ! આ અહીં સત્સંગમાં કવિનાં પદો ગવડાવીએ છીએ, શા માટે ? કે તેનાથી તેટલો સમય ચિત્ત 'એક ચિત્ત' થયું. આખું જગત અનંત ચિત્તમાં પડયું છે અને સાધુ-સંન્યાસીઓ અનેક ચિત્તમાં છે અને તમને અમારી હાજરીમાં કે આ પદો ગાવ ત્યારે એક ચિત્ત રહે. એક ચિત્ત તો કોઇનું થાય જ નહીં ને ! આખું જગત ચિત્તને એકાગ્ર કરવા માટે ભાંગફોડ કરી રહ્યું છે, પણ એ શુધ્ધ થાય તો જ એકાગ્ર થાય. 'જ્ઞાની પુરુષ' મળે તો જ ચિત્ત શુધ્ધ થાય. પ્રશ્નકર્તા : દાદા, આત્મા એ જ પરમાત્મા છે ? દાદાશ્રી : જ્યારે 'આત્મા એ પરમાત્મા છે' એવો પરમાત્માનો અનુભવ થાય ત્યારે એ પરમાત્મા છે અને શુધ્ધાત્માનો અનુભવ થાય તો શુધ્ધાત્મા છે અને જગતના લોકોને મૂઢાત્માનો અનુભવ છે જ ને ! 'આ મારા કાકા, આ મારા માસી, આ મારી મોટી સાસુની કાકીના દીકરા;' તે 'અનંત ચિત્ત' થઇ ગયું. આ તો 'અનંત ચિત્ત' થઇ ગયું છે અને તેથી તો આ બધું યાદે ય રહે. આ સગાની ઓળખાણમાં ચોક્કસ રહે અને પોતે કોણ છે એની ઓળખાણ રાખતો જ નથી ! જો પોતાની ઓળખાણ થઇ જાય તો કામ જ થઇ ગયું ! 'દાદા'નાં સ્વપ્ના આવે એ તો 'એક ચિત્ત' થાય ત્યારે આવે. સંસારના લોકો ચિત્ત ભણી નજર પણ કરતા નથી, એકલા મનને ખેંચાખેંચ કરે છે. આ ચિત્તથી તો સંસાર ખડો થયો છે. લોકોનાં ચિત્ત બધે વેરાઇ ગયાં છે. પ્રશ્નકર્તા : પણ ચિત્ત કર્મને તો આધીન ખરું ને ? દાદાશ્રી : હા, પણ ચિત્ત અટક્યું તો કામ થયું, પણ જો ચિત્ત ચોંટ્યું તો ફસાય. ગમે તેટલું મન વાળ વાળ કરે, પણ ચિત્ત ત્યાં જ ચોંટી રહે. 'અનંત ચિત્ત' તો છે જ, એમાંથી અનેકમાં આવવું એ બહુ મુશ્કેલીની વાત છે અને એક ચિત્ત થાય તો કામ થાય ! આપણું 'જ્ઞાન' છે તેનાથી 'એક ચિત્ત' ભણી અવાય છે. આ 'અનંત ચિત્ત'માંથી 'અનેક ચિત્ત'માં એટલે શું કે આપણી ગણતરી થાય કે અહીં અહીં ચિત્ત ગયું. આ અડતાલીસ મિનિટનું સામાયિક એટલે શું કે એ પછી ચિત્તનું સ્ટેજ બદલાય છે. આઠ મિનિટથી માંડીને અડતાલીસ મિનિટ સુધી ચિત્ત બંધાય. આઠ મિનિટથી ચિત્ત બંધાવા લાગે. આ દૂધનો આઇસ્ક્રીમ થતો હોય તો પહેલાં દૂધ બંધાય છે, તેથી આઇસ્ક્રીમ બંધાવાનું શરૂ થાય અને પછી આઇસ્ક્રીમ થઇ જાય, ઠરી જાય. આ 'અનંત'માંથી 'અનેક'માં આવ્યા અને જો આ 'દાદા'નું સ્વપ્નું આવી જાય એટલે કે ચિત્તની 'રીલ' આવી જાય તો કામ થઇ જાય ને ત્યારે તો આ દાદાનાં ગજબનાં દર્શન થઇ જાય. ચિત્ર એકાગ્રતાના સાધનો ! પ્રશ્નકર્તા : મંદિરમાં ઘંટ કેમ બાંધે છે ? દાદાશ્રી : ચિત્તને એકાગ્ર કરવા. ધમધમ વાગે એટલે ત્યાં આગળ મન અને ચિત્ત થોડીવાર પૂરતું એકાગ્ર રહે. જ્યાં સુધી સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી સંપૂર્ણ એકાગ્રતા થાય જ નહીં. બાકી મૂર્તિને ઘંટની કશી જરૂર નથી. દર્શન કરવા આવનારનું 'એક ચિત્ત' થાય એટલા માટે ઘંટ છે. બહારનો કોલહાલ સંભળાય નહીં. ધૂપ અગરબત્તી એ બધું પણ એક ચિત્ત, ધ્યાન થાય એટલા માટે હોય છે. ચિત્ત વિખેરાતું અટકે આપ ! દરેક સાઇડના ચિત્ત ન વિખરાવાનું જુદું વાક્ય હોય. મારાથી કોઇ દેહધારી જીવાત્માનો કિંચિત્માત્ર અહમ્ ના દુભાય, ના દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, આ બોલ્યા એટલે હવે પછી દુભાવવાને પ્રત્યે જે ચિત્ત હતું, તે બંધ થઇ જાય. એવી આ નવ કલમો છે. આ તમારી જે ચિત્તવૃત્તિઓ બહાર ભટકતી હતી ને જગતમાં રમતી હતી, તે અમે 'અમારા' તરફ ખેંચી લઇએ. એટલે વૃત્તિઓ બીજે ભટકતી બંધ થાય. ચિત્તવૃતિનું બંધન થયું એ જ મોક્ષ છે! વેદનામાં ગોઠવણી ચિત્તની ! પ્રશ્નકર્તા : દેહની વેદનીય હોય ત્યારે ચિત્ત તેમાં વધારે જતું રહે. દાદાશ્રી : હા. ચિત્ત ત્યાંનું ત્યાં જ ભમ્યા કરે. આપણે એને કહીએ કે બહાર જરા ફરવા જા. તો ય ના જાય. ઘરમાં ને ઘરમાં જ રહે. બે મચ્છરાં હોયને, મચ્છરદાનીમાં, તો આખી રાત વારે ઘડીએ લાઈટ કર્યા કરે. 'કેમ ભઈ, લાઈટ કરી પાછી !' તો કહેશે, 'મચ્છરો પેસી ગયા.' અલ્યા મૂઆ, બે મચ્છરાં, મેલને પૈડ. આખી રૂમ મચ્છરાંથી ભરેલી હોય તો આપણે કહીએ, મચ્છરાં છે ને હું ય છું. પણ બે મચ્છરાં એને ઊંઘવા ના દે. આટલા બધા માથાના વાળ ઊંચકાયા છે તો બે મચ્છરાં ના ઊંચકાય ! કેટલા વાળ છે ગણતરીબંધ ! ત્યારે કહે, ના ! અલ્યા, તારું ચિત્ત શેમાં છે બળ્યું ? એ એને કૈડ્યું એમાં ચિત્ત છે. કૈડે ને, ત્યાંથી ચિત્ત ધીમે રહીને ખેંચી લઈએ એટલે પછી એ જગ્યાએ ના રહે. ચિત્તનો સ્વભાવ શું છે ? તમે ખેંચી લો ને એટલે એ જગ્યાએ ચિત્ત ના રહે. આત્મા બધે રહે. આત્મા શરીરમાંથી ઊંચોનીચો થાય નહીં. પણ ચિત્ત ખેંચી લઈએ એટલે આપણને મહીં ફોન ના કરે. હેડ ઓફિસમાં ચિત્ત હોય તો હેડ ઓફિસમાં ફોન કરે કે કૈડ્યું. ચિત્ત ખેંચીને લાવીએ અહીં સેન્ટરમાં લાવીને રાખીએ. પ્રશ્નકર્તા : તો એનો ખ્યાલ ના રહે કે મચ્છર કરડ્યું કે ના કરડ્યું ? દાદાશ્રી : ખ્યાલ બધાં રહે, આત્મા ખરો ને, એટલે ખ્યાલ રહે. પણ એનો હેડ ઓફિસમાં વારેઘડીએ ફોન ના કરે ને ! નહીં તો હેડ ઓફિસવાળા પાછા ડી.એસ.પી. મોકલી દે. ચાર પોલીસવાળાને એને તે, પછી આ હાથ છે તે આમ હલાવે, આમથી તેમ કરે, આંખ્યો આમ કરે ને તેમ કરે. બધું અંગ ચાલુ થઈ જાય ! પ્રશ્નકર્તા : મન કરતાં ચિત્તની શક્તિ શું વધારે હોય ? દાદાશ્રી : મન આ શરીરની બહાર ના જઇ શકે. ચિત્ત તો બહાર નીકળે અને આ શરીરની મહીં પણ કામ કરે, પાછળ ખભો દુઃખતો હોય ત્યારે ત્યાં ય જાય અને જ્યાં મોકલવું હોય ત્યાં પણ જાય. આ પગે મછરાં કરડે તે છો ને કરડે, ચિત્તને ત્યાંથી ખેંચી લઇએ એટલે વાંધો ના આવે અને હિસાબ હશે તો જ કરડશે ને ? દાદાઈ અગિયારસે, એક ચિત્ત ! પ્રશ્નકર્તા : દાદા, તો આ અગિયારસ કરે, તે વખતે ચિત્ત, બુદ્ધિ, મન ચૂપચાપ બેસી ગયેલું હોય. કંઈ આપણને હેરાન કરે નહીં. દાદાશ્રી : એ અગિયારસ કરો છો તેથી બધું એકદમ મજબૂત થઈ જાય. પ્રશ્નકર્તા : પછી અગિયારસ કરી રહ્યા પછી, એવું આપણને ઘણાં દહાડા શાંતિ ને એવું વર્તાય, એકદમ એમ. દાદાશ્રી : બહુ શક્તિવાળો થઈ જાય ને ! પ્રશ્નકર્તા : પણ પછી પાછું પેલું ફાઈલ આવે ત્યારે પાછા આમ તેમ થઈ જાય. એ કેમ ? દાદાશ્રી : પણ એ તો થઈ જાય ! હજુ તો શક્તિ આમ કરતાં કરતાં મજબૂત થશે ! અનંતકાળથી વિખરાઈ ગયેલું બધું ચિત્ત. વિખરાઈ ગયેલાં ચિત્તને ઠેકાણે કરવા ટાઈમ લાગે ને ! આ અગિયારસ થાય છે. એ જ મોટી વાત છે ને ! દરેક ક્રિયામાં જોઈએ હાજરી ચિત્તની ! પ્રશ્નકર્તા : ચિત્તને સ્થિર કરવું એનુ નામ ઉપયોગ ? દાદાશ્રી : હા. તમે મારી જોડે વાતચીત કરતા હો ને તમારું ચિત્ત બીજે હોય તે એ ઉપયોગ ના કહેવાય. શેઠનું ધોકડું અહીં ખાતું હોય ને પોતે ગયા હોય મિલમાં, ચિત્તનું ઠેકાણું નહીં ! ઉપયોગ વગર ખાય છે તેનાં તો આ હાર્ટફેઇલ અને બ્લડ પ્રેશર થાય છે લોકોને ! શાસ્ત્રકારોએ કહ્યું છે કે ઉપયોગ રાખો ખાતી વખતે, પીતી વખતે, દરેક કામ કરતી વખતે ઉપયોગમાં રહો. ઉપયોગ એટલે ખાતી વખતે બીજું ના હોય. ચિત્તને હાજર રાખવું, એનું નામ ઉપયોગ. આ દરિયો બેઉ બાજુ હોય ત્યાં આગળ ચિત્તને હાજર રાખે કે ના રાખે ? નાનાં છોકરાં ય રમવાનું બાજુએ મૂકીને જાગૃત થઈ જાય ! એ ય બહુ પાકાં હોય ! પ્રશ્નકર્તા : જમતી વખતે ચિત્તને હાજર નિરાહારી રાખવું અને આહારી આહાર કરે છે અને હું નિરાહારી માત્ર તેને જાણું છું, તો આ બન્નેમાં ફેર શું ? દાદાશ્રી : બેમાં તો ફેર. ચિત્તની હાજરીમાં કોઇ અજ્ઞાનીએ કરી શકે. ચિત્તની હાજરીમાં જમવું અને જ્ઞાનવાળો તો આહારી આહાર કરે એટલે છૂટો જ થયો. પોતે જાણે કે આમાં મરચું વધારે છે, આમાં મીઠું વધારે છે, આમાં એ થયેલું છે. જાણવાની ક્રિયા રહી. અને ચિત્તની હાજરી એ તો અજ્ઞાની માણસ પણ કરી શકે, કોઇ પણ માણસ કરી શકે. આંખ મીંચીને વાંચો ! દેહના મળ તો આ જુલાબથી જાય પણ મનના મળ ન જાય ને ચિત્તનો તો કશાયથી ના જાય. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી બધા વિક્ષેપ રહે. કંઈક શાંતિ રહે તે માટે આ લોકો મળ-વિક્ષેપ કાઢ કાઢ કરે છે. જ્ઞાન મળે પછી શું રહ્યું ? મળ, વિક્ષેપ. તે તો સત્સંગમાં આવે એટલે જતાં રહે. ચિત્તને એકાગ્ર કરવું હોય તો જાપ કરવા જોઈએ. અને ચિત્તની શુધ્ધતા કરવી હોય તો વાંચવું જોઈએ. વાંચવાનો અર્થ તમે જે રીતે વાંચો છો એ રીતે નહીં, એની વાંચવાની રીત જુદી હોય. એ અમે તમને બતાવીએ. એ રીત આમ ચોપડી વાંચો એવી રીતે વાંચવાનું, ચોપડી પકડીને વાંચવાનું નહીં. પણ કોઈ મંત્ર છે કે વિધિ છે તે આંખો મીંચીને વાંચવાના. એનાથી ચિત્તની શુધ્ધિ થાય. અમે બતાવીએ એ રીતે વાંચો ને, પછી છે તે ચિત્તની શુધ્ધિ થાય. અને આ જપથી તો એકાગ્ર થાય એટલે આનંદ, શાંતિ રહે, ભક્તિ રહે. ચિત્ત વહી ગયું મોહમાં ! જો આખી જિંદગીમાં ભક્તિનું સરવૈયું સારું હોય, સત્સંગનું સરવૈયું સારું હોય, એ સરવૈયું મોટું હોય તો છેલ્લા કલાકમાં ચિત્ત એમાં ને એમાં વધારે રહ્યા કરે. વિષયોનું સરવૈયું મોટું હોય તો મરતી વખતે એનું ચિત્ત વિષયમાં જ જાય. કોઈને છોડી-છોકરાં પર મોહ હોય તો છેલ્લી ઘડીએ ચિત્ત એમનામાં રહ્યા કરે. એક શેઠને મરવાનું થયું. તે બધી રીતે શ્રીમંત હતા. છોકરાઓ ય ચાર-પાંચ, તે કહે, 'પિતાજી હવે નવકાર મંત્ર બોલો.' ત્યારે પિતાજી કહે છે કે, 'આ અક્કલ વગરનો છે. અલ્યા, આ બોલવું એ હું નથી જાણતો ? હું મારી મેળે બોલીશ. તું પાછો મને કહે કહે કરે છે ?' તે છોકરા ય સમજી ગયા કે પિતાજીનું ચિત્ત અત્યારે કોઈ જગ્યાએ ભમે છે. પછી બધા છોકરાઓએ સાર કાઢ્યો કે શેમાં ભમે છે ? આપણને પૈસાનું દુઃખ નથી, બીજી કોઈ અડચણ નથી, પણ ત્રણ છોકરીઓ પૈણાવી હતી ને એક નાની છોકરી રહી ગઈ હતી. તે શેઠનું ચિત્ત નાનીમાં રહ્યા કરતું હતું કે મારી આ છોડીને પૈણાવવાની રહી ગઈ, તે હવે આનું શું થશે ? તે છોકરા સમજી ગયા, એટલે નાની બહેનને જાતે મોકલી, એ કહે છે, 'પપ્પાજી, મારી કોઈ ચિંતા કરશો નહીં, તમે હવે નવકાર મંત્ર બોલો.' ત્યારે પપ્પાજી એને કશું બોલ્યા તો નહીં, પણ મનમાં એમ સમજે કે 'આ હજુ છોકરું છે ને ! એને શું સમજણ ?' અલ્યા, જવાનો થયો તે પાંસરો રહે ને ! આ હમણાં કલાક-બે કલાક પછી જવાનું છે. તે છોડી કહે છે તે કરને, નવકાર મંત્ર બોલવા માંડને ! પણ શું થાય ? શી રીતે નવકાર બોલે ? કારણ કે એનાં કર્મ એને પાંસરો નથી રહેવા દેતાં, એનાં કર્મ તે ઘડીએ ફરી વળે છે ! ચોંટ માત્ર, ચિત્તની જ ! કોઇ માણસ બહુ ભૂખ્યો થયો હોય, તો શું કપડાંની દુકાન સામે એ જુએ ? ના, એ તો મીઠાઇની દુકાન સામે જ જુએ. ભૂખ્યો માણસ બહાર નીકળે તો ભજિયાં જુએ. જેને સાડીની ભૂખ હોય તે બહાર નીકળે તો જયાં ત્યાં દુકાનોમાં લટકતી સાડી જુએ. જયારે દેહની ભૂખ ના હોય ત્યારે મનની ભૂખ ઊભી થાય, બન્ને ના હોય તો વાણીની ભૂખ ઊભી થાય. આ બોલે છે ને કે, 'પેલાને તો હું કહ્યા વગર રહું જ નહીં.' એ જ વાણીની ભૂખ ! ઘેર ખાતાં હોય ત્યારે ભિખારી જાય તો ઘરડાં કહે, 'અલ્યા, સાચવજો, નજર ના લાગી જાય.' આ નજર લાગે એટલે શું કે જેની ભૂખ લાગે તેમાં ચિત્ત ચોંટે તે. આ સ્ત્રીને કોઇ પુરુષની ભૂખ હોય તો તેનું ચિત્ત કોઇ પુરુષમાં ચોંટી જાય અને પુરુષને સ્ત્રીની ભૂખ હોય તો તેનું ચિત્ત સ્ત્રીમાં ચોંટી જાય, આ એવી નજર લાગવાથી તો બધું બગડ્યું છે ! નજર લાગે તે સાચું ? પ્રશ્નકર્તા : આ નજર લોકોને લાગે છે ? તો નજર લાગે ખરી ? દાદાશ્રી : લાગે તો ખરી જ ને ! પણ આ તો જીવતા માણસને શું ના થાય ? આંખ છે ને ! નજર એટલે શું ? તમે સમજ્યા નથી. આપણે આ હલવાઈની દુકાન હોય છે ને ત્યાં મિઠાઈ જાતજાતની દેખાય છે, ખૂબ ભૂખ્યો માણસ હોય, એ જુએ ત્યાં આગળ એટલે એ નજર લાગી જાય કે કેવી સરસ છે. અને એકતાન થાય એટલે નજર લાગે પેલાની કારણ કે ભૂખ્યો છે એટલે. અને પેલો ધરાયેલો છે એ કહે કે કેવી સરસ છે. પણ એમાં એકતાન ના થાય. હવે એકતાન થાય એટલે નજર લાગે. પછી મિઠાઈ બગડી જાય. એવી રીતે પેલા માણસને ય અસર કરે. જેને બાબો જ ના હોય, કો'કનો ફર્સ્ટક્લાસ બાબો જોયો એટલે કહેશે કેવો સરસ છે ! કે ચોંટ્યું. તેથી આપણા લોકો બાબાને આમ પેલાં ડાઘા આમ કરીને કરે છે ! નાનાં છોકરાં રૂપાળાં હોય તે ઘરનાં એને મોઢે અને કપાળે કાળી ટીલી ચોડે, કારણ કે કોઇની નજર ના લાગે. આ તો ભૂખ્યાં હોય તેમનું ચિત્ત તો ચોંટેને ? તે કાળી ટીલી એટલા માટે કરે કે પેલાની નજર કાળી ટીલી પર જ કેન્દ્રિત થાય ! પ્રશ્નકર્તા : એને અસર થાય ખરી ? દાદાશ્રી : ચોક્કસ. પણ પેલું કાળું ટપકું દેખાય એટલે પછી પૂરેપૂરું તો એનાં નજરમાં ના આવે. આમ કાળાં ટપકાં કરે ને ? એ શોધખોળ ખોટી નથી બધી. પ્રશ્નકર્તા : નજર ઉતારે છે તો અસર થાય ? દાદાશ્રી : એય વાત સાચી છે. પણ આ બધા એકઝેગરેશન કરી નાખે છે, એવું નથી. મૂળ વસ્તુ સાચી છે. આવડાં નાનાં કાળા છોકરાં હોય ને, તેને નજર ના લાગે, પણ આ તો ગોળું ગબ્બ જેવું દેખાતું હોય, અને પેલાને ભૂખ હોય, પેલાને છોકરું ના હોય તો એની નજર લાગે. અને ઘેર પાંચ-સાત છોકરાં હોય, તે મૂંઓ જુએય નહીં. કંટાળી જ ગયેલો હોય ત્યાંથી. ત્યારે જેને છોકરો ના હોય, એટલે એના મનમાં એમ થાય કે આ કેવું સરસ છોકરું ! એટલે ભૂખ ઉપર આધાર રાખે છે. ભૂખ્યો માણસ છે તે આ હલવાઈની દુકાન જુએ એટલે કેટલીક હલવાઈ બગડી જાય, કેટલીક મીઠાઈ બગડી જાય છે, કારણ કે ચિત્ત ચોંટ્યું એ કંઈ ગાંડપણ નથી. અને એનું ચિત્ત ખોવાઈ ગયું હોય તે આપણે દેખાય છે. એટલે નજર લાગે છે તે વાતે ય ચોક્કસ છે. પેલી સાડીઓ શેઠિયાઓએ, દુકાનદારોએ લટકાવેલી હોય છે. તે ઘણાંનાં ચિત્ત ત્યાં ખોવાઈ જાય છે, પણ સાડી કશું શામળી નથી થઈ જતી. કારણ કે બગડવા જેવી ચીજ હોય તો બગડી જાય. આને બગડવાનું કંઈ નહીં ને ! 'જ્ઞાની પુરુષ' એકલાને જ નજર ના અડે, કોઇ આંખ માંડે તો પણ 'જ્ઞાની પુરુષ' તેમાં તરત જ શુધ્ધાત્મા જ જુએ. આ તો બધી ટેલિપથી જેવી મશીનરી છે, એમાં આત્મા ભળ્યો તો બધું બગડી જાય. અસંતોષની ભૂખ ! કેટલાંક માણસો એવા હોય છે કે સરસ મજાની મીઠાઈ કે ફરસાણ જુએ તો પણ એને ભાવ કે અભાવ ના થાય. એવા પંદર ટકા માણસો ખરા. પણ આ સ્ત્રી-પુરુષ છે, તે તો જોવાથી જ ભાવ કે અભાવ ઉત્પન્ન થાય છે. એમાં બે ટકા માણસો બાદ કરો, પણ બાકી બધાના મન બગડ્યા વગર રહે જ નહીં. આ તો કાકાનો છોકરો હોય તો પણ છોકરીનું મન બગડે અને કાકાની છોકરી હોય તો પણ છોકરાનું મન બગડે. મીઠાઈમાં શાથી નથી બગડતું ? કારણ કે ત્યાં એને સંતોષ છે. પણ વિષયમાં તો અસંતોષ છે ને ? પણ આમાં અસંતોષ જેવું છે જ શું તે ? આ પણ કેરીયું જ છે ને ? જેને ખાધામાં અસંતોષ છે એનું ચિત્ત ખોરાકમાં જાય અને જ્યાં હોટલ દેખે ત્યાં ચોંટી જાય, પણ ખાવાનો એકલો જ કંઈ વિષય છે ? આ તો પાંચ ઇન્દ્રિય અને તેમાં કેટલાંય વિષય કહેવાય. ખાવાનો અસંતોષ હોય તેનું ચિત્ત ખાવામાં ચોંટે. તેમ જેને જોવાનો અસંતોષ હોય તે જ્યાં ને ત્યાં આંખો ફેરવ ફેરવ કરતો હોય. પુરુષને સ્ત્રીનો અસંતોષ હોય ને સ્ત્રીને પુરુષનો અસંતોષ હોય એટલે પછી ત્યાં ચિત્ત ચોંટે. આને ભગવાને મોહ કહ્યો. દેખતાંની સાથે જ ચોંટે. સ્ત્રી દેખી કે ચિત્ત ચોંટી જાય. આ લોક પાંસરા રહેતા હશે ? આ તો ક્યાંય સુખ પડતું નથી તેથી વલખાં જ મારે છે. કો'ક પુણ્યશાળી હોય તે વલખાં ના મારતો હોય, ત્યારે એ લોભમાં પડ્યો હોય. મિશ્રચેતનનો દાવો, બગાડે ભવો ! કોઈક સ્ત્રી બહાર શાકભાજી લેવા નીકળે, તે કોઈક પુરુષને દેખીને એનું ચિત્ત ત્યાં ચોંટે. આ ચિત્ત ચોંટવાથી બીજ પડે. તે આવતાં-જતાં આવાં પચ્ચીસ-પચાસ પુરુષ જોડે બીજ પડે. આમ રોજ બને, તે પાર વગરના પુરુષો જોડે બીજ પડે. એવું પુરુષને સ્ત્રીઓ સામે થાય. હવે જો જ્ઞાન હાજર હોય તો બીજ પડવાનું અટકી જાય, છતાં પ્રતિક્રમણ કરે તો જ ઉકેલ આવે. આ બીજ તો મિશ્રચેતન જોડે પડે. મિશ્રચેતન પછી દાવો માંડે. મિશ્રચેતન તો કેવું હોય કે બન્નેની મરજીના ડિફરન્સ, બન્નેનાં સંચાલન જુદાં. ત્યાં પોતાની ઇચ્છા ના હોય તો ય સામાને સુખ ભોગવવા જોઈએ, તો શું થાય ? એમાંથી પછી રાગ-દ્વેષનાં કારખાનાં થાય. આપણી પાસે તો જ્ઞાન છે, તો શુધ્ધાત્મા જોઈને ચોંટ ધોઈ નાખવાની. નહીં તો આ ચિત્ત ચોંટે તો, એનું ફળ બે-પાંચ હજાર વર્ષે ય આવે ! મન ભાવન ત્યાં ચિત્ત ચોંટણ ! એક છોકરી હોય, એણે એક સાડી બહાર દુકાને લટકતી જોઈ. હવે એ શું કહેશે કે 'પપ્પાજી, આ કેવી સુંદર સાડી છે !' એટલે આપણે સમજી જઈએ કે બેનની દાનત કેવી ખોરી છે ! ત્યારે આપણે કહીએ, 'હા બેન, સાડી બહુ સારી છે.' હવે એ બેનનું ચિત્ત એ સાડીમાં જાય એટલે બેન પછી મૂર્છિત થઈ જાય. એનું ચિત્ત સાડીમાં ખોવાઈ જાય. ને ચિત્ત ખોવાયું એટલે એની મૂર્છિત દશા થઈ જાય. પછી એ બેન ઘેર આવે તો પણ બે ચિત્ત ફર્યા કરે. બે ચિત્ત કેમ દેખાય છે ? ત્યારે કહે, ચિત્ત પેલી સાડીમાં રહી ગયું છે. સાડી જોઈ ત્યારથી જ ચિત્ત સાડીમાં વળગ્યું છે. જ્યાં ચિત્ત ખોવાય તે મૂર્છિત દશા કહેવાય. પછી એ બેન અહીં ઘેર બેસી રહે. લોક કહેશે, 'આ બેનને શું થઈ ગયું હશે !' મારા જેવો કો'ક હોય તે સમજી જાય કે આ બેન એનું ચિત્ત ત્યાં આગળ ભૂલી ગયાં છે. એ બેનને પણ સમજણ ના પડે કે મને શાથી આવું થાય છે. આ ભ્રાંતિ એવી વસ્તુ છે કે પોતાને સમજવા દેતું નથી. અમને તો બધું ફોડવાર સમજાય કે આ બેનને શું થયું છે ? એને શું રોગ છે ? ક્યાંથી રોગ પેઠો છે ?! ભૂલેશ્વરના બજારમાં ગયા ત્યાર પહેલાં આ રોગ નહોતો. ભૂલેશ્વરનાં બજારમાં પેઠેલા ત્યાર પછીથી આ રોગ પેઠો છે, હું એ બેનને કહું પણ ખરો, તારે આમ થયું છે. ત્યારે એ બેનને સમજાય પાછું. હવે આ તો સાડીની વાત થઈ. પણ કોઈ માણસે દુકાનમાં હાફૂસની કેરી જોઈ તો ત્યાં એનું ચિત્ત ખેંચાય. અરે, કેટલીક જગ્યાએ તો ચિત્ત એવું ખેંચાય છે કે આપણે આંબાવાડિયે ગયા હોઈએ, ને આંબાના ઝાડ પર ઉનાળામાં આવડી આવડી કેરીઓ લટકતી હાલતી દેખી તો દેખતાની સાથે મોઢામાં ખટાશ હઉ અનુભવે. અરે, કેરી નથી ખાધી તો પહેલાં ખટાશ આવે ?! ત્યારે જુઓ ! આ આત્માની હાજરીથી કેટલી કેટલી જાતના પર્યાયો ઊભા થાય છે અને અનંત પ્રકારના પર્યાયો ફર્યા કરે છે ! આમ તો એવો અનુભવ કરેલો છે. કારણ કે એક બાજુ તાપ, ઉપર કેરી હાલતી દેખાય, તે આપણે ખાઈએ, તે પહેલા ખટાશ આવી જાય મોંઢામાં. નાનપણમાં હું કોઈપણ ચીજને સ્ટડી કર્યા વગર જવા દેતો નહીં. હું ભણતો નહોતો, હું સ્ટડી કરતો'તો. કોઈ માણસને પોતાને ઘેર સ્વરૂપવાન સ્ત્રી છે, છતાં એણે રસ્તામાં કોઈ એક સ્ત્રી જોઈ. જેમ પેલી બેનનું ચિત્ત સાડીમાં રહી ગયું તેવું આ ભાઈનું ચિત્ત સ્ત્રી દેખીને એમાં રહી જાય છે. એટલે એને મૂર્છિત થઈ ગયો કહેવાય. મૂર્છિત થઈ ગયો એટલે એનામાં શું શક્તિ રહે પછી ? મૂર્છિત થઈ ગયો એટલે એ અને દારૂડિયો બેઉ સરખા થઈ ગયા. એમાં પછી કશી બરકત આવે નહીં. ચિત્તનું હરણ થાય ક્યારે ? પ્રશ્નકર્તા : ખરાબ વિચાર આવે છે તે પણ ચિત્ત વગર આવે છે ? દાદાશ્રી : હા, ચિત્તને અને વિચારને કશી લેવા-દેવા નથી. પ્રશ્નકર્તા : એમ માનોને મને બહારથી કોઈ વસ્તુનો વિચાર આવ્યો તો એ બહારની વસ્તુ આપણા ચિત્તનું હરણ કરે છે. એ થયું કે ના થયું ? દાદાશ્રી : ના, એ બે વસ્તુનું બેલેન્સ નથી. આ હોય તો આ હોવું સંભવે એવું નથી. બનતાં સુધી હોય, પણ આ હોય તો આ હોય જ એવું નથી. ઘણી ફેર વિચાર એકલા હોય, ચિત્તનું હરણ ના ય થયું હોય. ઘણી ફેર ચિત્ત ગયું હોય અને વિચારમાં ના હોય. એમ હોય ને એ ના પણ હોય. પ્રશ્નકર્તા : ચિત્તનું હરણ ક્યારે થયું કહેવાય કે જ્યારે આપણે ચિત્ત ઉપર આપણો કંટ્રોલ ગુમાવી બેસીએ ! દાદાશ્રી : મૂર્છિત થઈ જાય. પેલી બાઈને ઘેર આવીને સાડી યાદ આવી એટલે એનું ચિત્ત ત્યાં સાડીમાં છે અને ચિત્ત ત્યાં રહ્યું એટલે મન એનું અહીં કૂદાકૂદ કરે. કારણ કે આખી પાર્લામેન્ટ તૂટી કે મન કૂદાકૂદ, બુદ્ધિ બૂમાબૂમ કરે. બધું આખું ઘોર અંધકાર થઈ જાય અને પેલી બાઈ મૂર્છિત થઈ જાય. એવો પેલો ભાઈ પણ મૂર્છિત થઈ જાય. ત્યાં મન નહીં પણ ચિત્તનો ગુનો ! જે ચિત્તને ડગાવે તે બધા જ વિષય છે. આ બહાર જે બધું થાય તે બધા જ વિષયો છે. જે જે વસ્તુમાં ચિત્ત ગયું તે બધા જ વિષય છે. ભજીયાં ખાધાં તેનો વાંધો નથી પણ તેમાં ચિત્ત ચોટ્યું ને ફરી ફરી સાંભળ સાંભળ કરે તે વિષય છે. જ્ઞાનની બહાર જે જે વસ્તુમાં જાય છે તે બધા જ વિષય છે. પ્રશ્નકર્તા : આપે કહ્યું કે વિચાર ગમે તે આવે તેનો વાંધો નથી પણ ચિત્ત ત્યાં જાય તેનો વાંધો છે. દાદાશ્રી : હા, ચિત્તની જ ભાંજગડ છે ને ! ચિત્ત ભટકે એ જ ભાંજગડ ને ! વિચાર તો ગમે તેવા હશે એ વાંધો નહીં પણ ચિત્ત આ જ્ઞાન મળ્યા પછી આઘુંપાછું ના થવું જોઈએ. પ્રશ્નકર્તા : વખતે એવું થાય તો એનું શું ? દાદાશ્રી : આપણે, ત્યાં આગળ 'હવે એવું ના થાય' એવો પુરૂષાર્થ માંડવો પડે. પહેલાં જેટલું જતું હતું એટલું જ હજું પણ થાય છે ? પ્રશ્નકર્તા : ના, એટલું બધું સ્લીપ થતું નથી, છતાં એ પૂછું છું. દાદાશ્રી : ના. પણ ચિત્ત તો જવું જ ના જોઈએ. મનમાં ગમે તેવા ખરાબ વિચાર આવશે તેનો વાંધો નહિ એને ખસેડ ખસેડ કરો. એની જોડે વાતોચીતોનો વ્યવહાર કરો કે ફલાણો ભેગો થઈ જશે તો ક્યારે એ કરશો ? એના માટે લારીઓ, મોટરો ક્યાંથી લાવીશું ? અગર તો સત્સંગની વાત કરીએ. એટલે મન પાછું નવા વિચાર દેખાડશે. પ્રશ્નકર્તા : આ જે બધું ચિત્ત ભટકતું હતું, મન જે વિચાર કરતું હતું એ બધું બંધ થઈ જાય, ત્યાં થંભી જાય છે બધી વસ્તુઓ. દાદાશ્રી : બધું થંભી જાય. એવું છે ને તમે બીજી ગોઠવણી કરો તો વિષય તો છેટો ઊભો રહે એવો છે બિચારો. એ તો ભડકે બિચારો. જેમ સારાં માણસો અહીં ઊભા હોય, તે ઘડીએ હલકી નાતના લોક ના ઊભા રહે, એવી રીતે. પછી ચિત્ત સ્લીપ થયા કરે ! પ્રશ્નકર્તા : તો પછી આ બ્રહ્મચર્યની વાતો કરે છે, એ અકુદરતી નથી થતું ? દાદાશ્રી : અકુદરતી કરવાની જરૂર એટલા માટે છે કે આ વિષય એ એવી વસ્તુ છે કે મનને અને ચિત્તને જે રીતે જતું હોય તે રીતે નથી રહેવા દેતું ને એક ફેરો આમાં પડે કે આની મહીં આનંદ માનીને ઊલટું ચિત્તનું ત્યાં જ જવાનું વધી જાય છે. અને 'બહુ સરસ છે, બહુ મઝાનું છે' એમ માનીને નર્યા પાર વગરના બધા બીજ પડે છે. પ્રશ્નકર્તા : કેટલાકને તો આમાં રુચિ જ નથી હોતી. રુચિ ઉત્પન્ને ય નથી થતી અને કેટલાંકને એ રુચિ વધારે પડતી પણ હોય છે. એ પૂર્વનું જ લઈને આવેલો છે ને ? દાદાશ્રી : એ વિષય એકલો જ એવો છે કે એમાં બહુ લોચા વળી જાય છે. એક ફેરો વિષય ભોગવ્યો કે પછી એનું ચિત્ત ત્યાંનું ત્યાં જ જવાનું. પ્રશ્નકર્તા : પણ એ પૂર્વનું લઈને આવેલો હોય ને એવું ? દાદાશ્રી : પણ એનું ચિત્ત ત્યાંનું ત્યાં જ જતું રહે, એ પૂર્વનું લઈને નથી આવ્યો. પછી ચિત્ત એનું છટકી જ જાય છે, હાથમાંથી ! પોતે ના કહે તો ય છટકી જાય. એટલા માટે આ છોકરાઓ બ્રહ્મચર્યના ભાવમાં રહે તો સારું અને પછી એમ ને એમ જે સ્ખલન થાય તે તો ગલન કહેવાય, રાતે થઈ ગયું, દહાડે થઈ ગયું એ બધું ગલન કહેવાય. પણ આ છોકરાંઓ જો એક જ ફેરો વિષય અડ્યો હોયને, તે પછી રાત-દહાડો એના એ જ સ્વપ્ના આવે. વિકારમાં રહેવાય નિર્વિકાર ! પ્રશ્નકર્તા : અને આ જે સાથે સૂવાની પ્રથા છે, એ અમુક પ્રથાઓ જ ખોટી છે ? દાદાશ્રી : એ બધી પ્રથાઓ ખોટી છે. આ તો સમજણવાળી પ્રજા નહિને, તે ઊંધું ઘાલી દીધું છે બધું ! પછી છોકરાં-છોકરીઓ એમ જ માની લે છે કે આ પ્રમાણે હોય જ, આ જ મુખ્ય વસ્તુ છે. તે ય જો સ્ત્રીને એના ધણીમાં જ ચિત્ત કાયમ રહેતું હોય તો વાંધો નથી. પ્રશ્નકર્તા : પણ તે કાયમ રહેતું નથી ને ? દાદાશ્રી : અરે, બીજું જુએ છે ત્યારે પાછો ડખો કરે છે. એટલે ભાંજગડ છે. તે મૂળમાંથી ઉડાડી દેવા જેવી વસ્તુ છે. એનાથી જ બધો સંસાર ઊભો રહ્યો છે. વિકારમાં 'નિર્વિકાર' થતા આવડે નહિ. વિકારમાં નિર્વિકાર થતાં જો આવડે તો એનું વીર્ય બધું ઊર્ધ્વગામી થાય. વીર્ય બે ગામી છે. અધોગામી ને ઊર્ધ્વગામી. પ્રશ્નકર્તા : હા, પણ વિકારમાં નિર્વિકારી થવું એ કંઈ રમત વાત નથી. દાદાશ્રી : એ રમત વાત નથી ને, છતાં જ્ઞાની પુરુષની આજ્ઞાથી વિકારમાં નિર્વિકાર રહી શકાય એવું છે, નહિ તો બાકી આજ્ઞા શી રીતે અપાય ? જે બનવાનું છે એને છોડાય શી રીતે ? પ્રશ્નકર્તા : 'જ્ઞાની પુરૂષ'ની આજ્ઞા કરતાંય વિષયનો ફોર્સ બહુ જબરો હોય છે ને ? એટલે એ આજ્ઞા-બાજ્ઞા બધું ફેંકી દે ને ? દાદાશ્રી : ના, પેલાનો નિશ્ચય હોય તો અમારી આજ્ઞા એને કામ કર્યા કરે. ઘણા માણસોને કામ કરે છે. સૌથી વધુ ફસામણ વિષયમાં ! પૂર્વે જે પયાર્યોનું ખૂબ વેદન કર્યું હોય તે અત્યારે વધારે આવે. ત્યારે ચિત્ત ત્યાં જ ચોંટી રહે. જેમ જેમ એ ચોંટ ધોવાતી જાય તેમ તેમ ત્યાં પછી ચિત્ત વધારે ના ચોંટે અને છૂટું પડી જાય. અટકણ આવે ને ત્યાં જ ચોંટેલું રહે. ત્યારે આપણે શું કહેવું ? તારે જેટલા નાચ કરવા હોય એટલા કર. હવે 'તું જ્ઞેય ને હું જ્ઞાતા', આટલું કહેતાંની સાથે જ એ મોઢું ફેરવી નાખશે. એ નાચે તો ખરાં, પણ એનો ટાઈમ હોય એટલી વાર નાચે. પછી જતા રહે. આત્મા સિવાય આ જગતમાં બીજું કંઈ જ સરસ નથી. આ તો પૂર્વે જેનો પરિચય કરેલો હોય એ પહેલાનો પરિચય અત્યારે ડખો કરાવે છે. વધારેમાં વધારે ચિત્ત ફસાય શેમાં ? વિષયમાં. અને ચિત્ત ફસાયું એટલું ઐશ્વર્ય તૂટી ગયું. ઐશ્વર્ય તૂટ્યું એટલે જાનવર થયો. એટલે વિષય એવી વસ્તુ છે કે એનાથી જ બધું જાનવરપણું આવ્યું છે. મનુષ્યમાંથી જાનવરપણું વિષયને લીધે થયું છે. છતાં આપણે શું કહીએ છીએ કે આ તો પહેલેથી સંઘરેલો માલ છે, તે નીકળે તો ખરો પણ ફરી નવેસરથી સંઘરો નહિ કરો એ ઉત્તમ કહેવાય. તો નવું જોખમ ઊડી જાય ! ચિત્ત ચેતન છે, એ જ્યાં જ્યાં ચોંટ્યું ત્યાં ત્યાં ભટક, ભટક કર્યા કરવું પડે ! પ્રશ્નકર્તા : ચિત્ત જ્યાં ને ત્યાં નથી ઝલાઈ જતું, પણ એક ઠેકાણે ઝલાયું તો તે આગલો હિસાબ છે ? દાદાશ્રી : હા, હિસાબ છે તો જ ઝલાય. પણ આપણે હવે શું કરવું ? પુરૂષાર્થ એનું નામ કહેવાય કે હિસાબ હોય ત્યાં ય ઝલાવા ના દે. ચિત્ત જાય પણ ધોઈ નાખે તો એ અબ્રહ્મચર્ય નથી કહેવાતું. ચિત્ત જાય અને ધોઈ નાખે ત્યાં સુધી અબ્રહ્મચર્ય ગણાતું નથી. ચિત્ત જાય ને ધોઈ ના નાખે તો એ અબ્રહ્મચર્ય કહેવાય. આપણા કવિરાજે ગાયું છે ને, 'માટે ચેતો મન, બુદ્ધિ, નિર્મલ રહેજો ચિત્ત શુધ્ધિ.' કવિ શું કહે છે ? મન બુદ્ધિને ચેતવે છે. હવે આપણે ચિત્તવૃત્તિ નિર્મળ રાખવા શું કરવું પડે ? આજ્ઞામાં રહેવું પડે ! અમારું ચિત્ત સંપૂર્ણ શુધ્ધ રહે, એટલે પછી કશું અડે ય નહિ ને નડે ય નહિ. તમે જેમ જેમ આજ્ઞામાં રહેતા જશો તેમ તેમ પહેલાનું જે અડ્યું હોય, જેમ ચંદ્રગ્રહણ લખેલું હોય છે તેમ આઠ વાગ્યાથી એક વાગ્યા સુધી એટલે આઠ વાગે શરૂ થાય પછી એક વાગ્યા પછી ફરી ચંદ્રનું ગ્રહણ નથી, એવું આજ્ઞામાં રહ્યા કરે એટલે જે ગ્રહણ થઈ ગયેલું છે તે છૂટી જાય અને પછી નવું જોખમ ઊડી જાય. એટલે પછી વાંધો નહિને ! પ્રતિક્રમણથી ચોંટેલું ઊપડે ! પ્રશ્નકર્તા : અહીં ઘેર બેઠા હોઈએ તો ચિત્ત આઘુંપાછું થતું નથી, પણ રસ્તા પર સહેજ નીકળ્યા તો સ્ત્રી વગર રસ્તા હોતા નથી અને આ બાજુ વિષયની ગાંઠ ફૂટ્યા વગર રહેતી નથી. દાદાશ્રી : અને તમારે બહાર ફર્યા વગર ચાલે એવું નથી! બહાર કંઈક લેવા જવું પડે, નોકરી-ધંધે જવું પડે અને વિષય ઊભો થયા વગર રહે નહીં અને એટલે તેના પ્રતિક્રમણ કર્યા વગર ચાલે નહીં. પ્રતિક્રમણ કરીએ તો ઉકેલ આવે, નહીં તો પેલું આકર્ષણ ઊભું રહેલું તો ચોટ્યું જ પછી. બહાર જવું-આવવું પડે, તે ચાલે એવું નથી, જગતમાં ઘેર બેસી રહે તો ચાલે નહીં. 'વ્યવસ્થિત' પ્રમાણે જવું પડે અને પેલા ચોંટ્યા વગર ના રહે. જાગૃતિ તો હોય, તો ય ગયા અવતારના બધા મેળ છે ને, તે આકર્ષણ થાય ને પાછું ભાંજગડ થયા વગર રહે નહીં. એટલે ઘેર આવીને પછી પ્રતિક્રમણ કરે તો ઊખડી જાય. વિષય ત્યાં ધ્યાન ચ્યૂત ! તને એવો અનુભવ છે કે અબ્રહ્મચર્ય થાય ત્યારે ધ્યાન બરાબર રહેતું નથી ? પ્રશ્નકર્તા : ચિત્ત જો સહેજ પણ વિષયનાં સ્પંદનોને ટચ થયેલું હોય તો કેટલાય કાળ સુધી પોતાની સ્થિરતા ના રહેવા દે. અને ચિત્ત એને અડીને પાછું છૂટી ગયું હોય તો પોતાની સ્થિરતા જાય નહીં. પેલું જો એક જ વખત આમ 'ટચ' થયું હોય, તે સ્થૂળમાં નહીં પણ સૂક્ષ્મમાં પણ થયું હોય, તો પણ એ કેટલોય વખત હલાવી નાખે. દાદાશ્રી : અમારું ચિત્ત કેવું હશે ?! એ કોઈ દહાડો સ્થાનમાંથી છૂટ્યું જ નથી !!! અમે બોલીએ ત્યારે નિરંતર આમ મોરલીની પેઠ ડોલ્યા કરે. ત્યારે ચિત્ત પ્રસન્નતા ઊભી થાય. નહિ તો મોઢું ખેંચાઈ ગયેલું હોય, જીભે ય ખેંચાઈ ગયેલી હોય. લોકો તો આંખો વાંચીને કહી દે કે આ ખરાબ દ્રષ્ટિવાળો છે. ઝેરીલી દ્રષ્ટિ હોય તેને ય લોક કહી દે કે આની આંખમાં ઝેર છે. એવી જ રીતે આંખમાં વીતરાગતા છે એ પણ સમજી શકે છે. લોક બધું સમજી શકે એમ છે પણ દાળ-ભાત-રોટલી-શાક ખાઈને વિચારે તો ! પણ ખાઈને સૂઈ જાય તો ના સમજે. માણે આનંદ અહંકાર ! પ્રશ્નકર્તા : વિષયનો આનંદ અને કષાયનો આનંદ જે થાય છે એ શેમાં થાય છે ? ચિત્તમાં થાય કે મનમાં થાય છે ? દાદાશ્રી : એ તો ચિત્તમાં ય નથી થતો ને મનમાં ય નથી થતો. એ તો ખાલી અહંકાર ભોગવે છે. અહંકાર માને છે કે હવે મઝા આવી. હવે ટેસ્ટ આવ્યો. બીજું કશું જ બગડતું નથી ને કશું થતું ય નથી. આ અહંકારનું જ બધું ગાંડપણ છે. પ્રશ્નકર્તા : દાદા, એનો અર્થ એ થયો ને કે વિષયનો આનંદ આવ્યો એવું જે કહે છે એ અહંકાર છે ને ? દાદાશ્રી : અહંકાર જ ભોગવે છે આ બધું. કેરીનો રસ મોઢામાં મૂક્યા પછી મહીં ટેસ્ટ આવે ત્યારે તપાસ કરીએ કે આ કોણ ટેસ્ટ ચાખે છે ? અહંકાર બધું ભોગવે છે આ ! અહંકારને શાથી આમાં ટેસ્ટ પડ્યો ? અહંકારે ભાવના કરી હતી કે મારે આ જોઈએ છે, મારે આવું જોઈએ છે. તે પ્રાપ્ત થયું, એટલે આનંદમાં આવી ગયો ને આનંદમાં આવ્યો એટલે પછી એને મસ્તી લાગે. બાકી આ તો બધું અહંકારનું જ છે. બીજું મન, બુદ્ધિ, ચિત્ત એ તો બધા એને 'હેલ્પર' છે. જે છે તે અહંકારને છે. અરે, ઉનાળાનો સખત તાપ હોય ને પંખો ફરતો હોય ત્યારે મનમાં એમ લાગે કે ઓ હો હો ! સુખ તો બધું અહીંથી જ આવે છે ને ! આ સ્પર્શ વિષયનાં સુખ ભોગવે એ પણ અહંકાર ભોગવે છે, બીજું કોઈ નહીં. પ્રશ્નકર્તા : અને આ દુઃખ એ અહંકાર ભોગવે છે ? દાદાશ્રી : એવું છે ને, અહંકાર કશું ભોગવતો નથી. અહંકાર એટલું જ કહે છે કે મને ઘણું દુઃખ પડ્યું, એવો અહંકાર જ કરે છે. પણ એને દુઃખ પડતું નથી. વિષય મેં ભોગવ્યો એવો એ અહંકાર જ કરે છે. એ વિષય ભોગવતો જ નથી. ઈગોઈઝમ કરે છે એટલું જ. અલ્યા, તું ભોગવતો નથી તો શું કામ ભોગવ્યાનો ઈગોઈઝમ કરે છે ? શું ઈગોઈઝમ કરવા માટે અહીં પડી રહ્યો છું ? બસ, ભોગવ્યાનો અહંકાર જ કરે છે. હવે વસ્તુસ્થિતિમાં અહંકાર એ સૂક્ષ્મ છે અને વિષયો સ્થૂળ છે. સૂક્ષ્મ સ્થૂળને કેવી રીતે ભોગવે ? બેઉનો સ્વભાવ જુદો છે અને અહંકારનો અર્થ શો કે મેં ભોગવ્યું, અહમ્-કાર, એટલું જ બોલે, બીજું કશું જ નહીં. પછી સુંદર રીતે ભોગવ્યું કે અસુંદર રીતે ભોગવ્યું. શુધ્ધાત્મા દેખાય, ત્યાં ચિત્ર ન ઝલાય ! આપણે અક્રમ માર્ગમાં સ્ત્રીને કાષ્ટની પૂતળી નહીં ગણવાની. આપણે આત્મા જોવો. આ તો ક્રમિક માર્ગવાળા કાષ્ટની પૂતળી કહે, પણ એ ગોઠવણી ક્યાં સુધી રહે ? જરા ફરી વિચાર આવે, તે ઘડીએ પાછું ઊડી જાય. પણ આપણે શુધ્ધાત્મા જોઈએ તો ? એટલે નવયૌવનાને દેખી અને મહીં ચિત્ત ઝલાયું હોય, ત્યાં આગળ શુધ્ધાત્માને જો જો કરીએ એટલે બધું જતું રહે, ચિત્ત પછી છૂટી જાય. વિષય જીતવા માટે શુધ્ધાત્માને જુએ તો ઉકેલ આવશે, નહીં તો ઉકેલ નહીં આવે. મહામુક્ત દશાની પારાશીશી ! હું શું કહેવા માગું છું કે જગત આખામાં ફરો, તમારા ચિત્તનું કોઈ હરણ કરી ના શકે તો તમે સ્વતંત્ર છો. કોઈ પણ વસ્તુ તમારા ચિત્તને હરણ ના કરી શકે તો તમે સ્વતંત્ર છો. કેટલાય વર્ષથી મારા ચિત્તને મેં જોયું છે કે કોઈ ચીજ હરણ કરી શકતી નથી. એટલે પછી મારી જાતને હું સમજી ગયો, તદ્દન સંપૂર્ણ સ્વતંત્ર થયો છું. મનમાં ગમે તેવા ખરાબ વિચાર આવે તેનો વાંધો નથી, પણ ચિત્તનું હરણ ના જ થવું જોઈએ.. - જય સચ્ચિદાનંદ. |
---|