જીવો જીવન ક્લેશ વિનાનું !

સંપાદકીય

જીવનમાં ક્લેશ કોઈને ગમતો નથી છતાં ઘરમાં ક્લેશ થયા વગર રહેતો નથી. જે ઘેર ક્લેશ તે ઘેર ન વસે પ્રભુ ! જ્ઞાનીના સત્સમાગમ-સત્સંગથી, તેમની આપેલી સમજથી ઘરમાંથી ક્લેશ સદંતર નાબૂત થાય ! ક્લેશનું મૂળ કારણ અજ્ઞાનતા છે. સંસારમાં કોઈ કોઈના સ્વભાવ મળે નહિ. જ્ઞાનથી એડજસ્ટ એવરીવ્હેર થવાય. જે ઘેર ક્લેશ ત્યાં ધંધામાં બરકત ના આવે. માટે નક્કી કરો કે આપણા ઘરમાં ક્લેશ ના જ થવો જોઈએ.

કકળાટ થવા જ ન દેવો ને થાય તો થતાંની સાથે જ શમાવી દેવો ! બપોરે કકળાટ થાય ધણી જોડે તો સાંજે સુંદર જમણ બનાવી જમાડી દેવું ! પત્નીથી કઢી ઉતારતાં ઢોળાઈ ગઈ તો ધણી બૂમાબૂમ કરી મૂકે ! એ જાણીજોઈને ઢોળે છે ? કોઈ સ્ત્રી જાણીબૂઝીને પોતાનાં ધણી-છોકરાંને ખરાબ ના ખવડાવે ! આ કોઈ તોડતું નથી. આ તૂટે છે, એ તો સહુ સહુનો હિસાબ ચૂકવાય છે. ત્યાં ધણીએ પૂછવું કે 'તું દાઝી તો નથી ને ?' ત્યારે એને કેવું સારું લાગે ! ગમ્મે તેટલું ઘરમાં નુકસાન થાય પણ ક્લેશ કરતાં કોઈ નુકસાન વધારે ના જ હોઈ શકે ? ભડકો થતાં પહેલાં પાણી નાખી ટાઢું કરી દેવું જોઈએ. જે ઘરમાં ક્લેશ થતો હોય તેની અસર છોકરાં ઉપર બહુ ખરાબ પડે છે.

શ્રીમદ્ રાજચંદ્રે લખ્યું છે, 'જે ઘરમાં એક દિવસ પણ ક્લેશ ના હોય તેને અમારા નમસ્કાર !' સ્વરૂપ જ્ઞાન થયા પછી સહજ ભાવે ક્લેશનો અભાવ રહે અને જ્ઞાન ના હોય તો બુદ્ધિપૂર્વક ક્લેશનો અભાવ હોય. સાચો જૈન કે સાચો વૈષ્ણવ કોને રહેવાય કે જેને ત્યાં ક્લેશ જ ના થાય. શું કરવાથી ક્લેશ ના થાય એટલું જ આવડી ગયું, તે શીખી ગયો ધર્મનો સાર! ક્લેશ બંધ થાય તો જ ધર્મના સાચા રસ્તે છીએ એમ જાણવું અને તો જ સંસારનો નિવેડો આવે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, 'દાદા ભગવાનનું નામ લેજો. હું જ દાદા ભગવાનનું નામ લઈને કામ કરું છુંને બધું ! દાદા ભગવાનનું નામ લેશો તો તરત જ તમારું ધાર્યું કામ થઈ જશે.'

પ્રસ્તુત સંકલનમાં પરમ પૂજ્ય દાદા ભગવાનની વાણીમાં 'જીવો જીવન ક્લેશ વિનાનું !' તેને માટે સુંદર ચાવીઓ પ્રાપ્ત થાય છે. જે અપનાવવાનો દ્રઢ નિશ્ચય થયે જ ક્લેશ પરિણામોથી છૂટકારો અનુભવાશે!

દીપક દેસાઈના જય સચ્ચિદાનંદ

જીવો જીવન ક્લેશ વિનાનું !

આપણે આર્ય પ્રજા, છતાં અનાડી વર્તન !

ઘરમાં ક્લેશ ના થવો જોઈએ. કોઈનાં ઘરમાં ક્લેશ થતો હશે ?

પ્રશ્નકર્તા : ક્લેશ તો થાય જ ને !

દાદાશ્રી : એ તો આપણા આર્ય લોકોના ઘરે તો થાય નહીં. અનાર્યને ત્યાં થાય. આપણે તો આર્ય લોકો, આપણે ત્યાં ક્લેશ ક્યાંથી થાય ?

પ્રશ્નકર્તા : પણ એ હકીકત છે ને, ક્લેશ થાય છે તે.

દાદાશ્રી : ના થવો જોઈએ.

પ્રશ્નકર્તા : ના થવો જોઈએ એ બધી વાત બરાબર, પણ થાય છે એનું શું ?

દાદાશ્રી : એટલી અણસમજણ કાઢી નાખશો તો નીકળી જાય એવો છે ક્લેશ.

જગત આફરીન થાય એવું જીવન જીવાય આપણું ! આપણે ઈન્ડિયાના આર્ય પ્રજાના પુત્રો, એનું અનાડી વર્તન દેખાય તો કેવું ખરાબ દેખાય ?! આ ફોરેનવાળાનું અનાર્ય વર્તન જોવામાં આવે છે પણ અનાડી નહીં. આપણે તો આર્ય પ્રજા, પણ અત્યારે અનાડી જ થઈ ગઈ. અનાડી શબ્દ સાંભળેલો છે ? 'એની વાત જવા દોને, છે અનાડી જેવો' કહે છે.

પાત્રતા ક્યાં હોય ? સંસારમાં ક્યારેય પણ ક્લેશ ના થતો હોય તે પાત્ર કહેવાય.

ક્લેશ નિર્મૂળ થાય બુદ્ધિથી !

ક્લેશવાળું જીવન એ મનુષ્યજીવન કહેવાય જ નહીં એને ! કારણ કે કોઈ જાનવરો ય ક્લેશ નથી કરતાં. આ જાનવરો મહીં દુઃખ પડે ને વેદના થાય ત્યારે આંખમાંથી પાણી પડી જાય, રડે ખરાં. પણ મનુષ્ય સિવાય કોઈ ક્લેશ કરે જ નહીં. મનુષ્યમાં તો ક્લેશ હોતો હશે ? છતાં ય કોઈ એવી ભૂલ રહી જાય છે કે જેથી ક્લેશ ઉત્પન્ન થાય છે. કંઈક ભૂલ રહી જાય છે ને ! ભગવાને કહ્યું હતું કે ક્લેશ કાઢી નાખવા માટે જ્ઞાનની કંઈ જરૂર નથી, બુદ્ધિની જરૂર છે. બુદ્ધિ તો સારી રીતે પ્રકાશમાન થઈ શકે એવી છે, તેનાથી ક્લેશ બધો નિર્મૂલન થઈ શકે એમ છે. પણ જુઓને, ક્લેશનાં તો આખાં કારખાનાં કાઢ્યા છે ! હવે એકસ્પોર્ટે ય ક્યાં કરે ? ફોરેનવાળાને પૂછાવે તો કહેશે, 'અમારે ત્યાં બધું બહુ છે, પણ તો ય ઊંઘવા માટે ગોળીઓ ખાવી પડે છે. વીસ-વીસ ગોળીઓ ખઈએ છીએ ત્યારે તો ઊંઘ આવે છે.' આખા વર્લ્ડનું સોનું, વર્લ્ડની લક્ષ્મી એમની પાસે છે છતાં ગોળી ખાવી પડે છે ! છતાં એને ઊંઘ ના કહેવાય. ઊંઘ તો કોને કહેવાય કે જે સહજ સ્વભાવી હોય. આ તો જડ બનાવી દીધાં છે. જેમ દવા ચોપડીને બહેરું કરી નાખે છેને ! એવું બહેરું કરી નાખે છે. અલ્યા, બહેરું કરવા કરતાં એમને એમ ઊઘાડી આંખે પડી રહે ને ! બહુ ત્યારે જાગરણ થશે ને ?! તો બહેરાં થવા કરતાં આ શું ખોટું છે? બહેરું તો થવાતું હશે ?

સમજણ મટાડે ડખા-ક્લેશ !

સમજણ તો એવી હોવી જોઈએ ને, કે આ ડખો થઈ ગયો એનો શો ઉકેલ આવે ? આવું કેમ હોવું જોઈએ ? આ જાનવરો બધાં ય સંસાર ચલાવી રહ્યાં છે. શું એમને બૈરી-છોકરાં નથી ? એમને ય બૈરી છે, છોકરાં છે, બધું જ છે. ઈંડાંનું સેવન એવું સુંદર કરે છે અને ઈંડાં મૂકતાં પહેલાં માળો તૈયાર કરે છે. આ શું સમજણ નથી એમનામાં ? અને આ સમજણના કોથળા ! અક્કલના કોથળા !! આમને ઈંડાં મૂકવાના હોય ત્યારે દવાખાના ખોળ ખોળ કરે. અલ્યા, માળો બાંધને ! પણ આ અક્કલના કોથળા દવાખાના ખોળે અને જાનવર બિચારાં ઈંડાં મૂકતાં પહેલાં જાણી જાય કે આપણે ઈંડાં મૂકવાનાં છે, માટે આપણે માળો રચો. ઈંડાંમાંથી બચ્ચાં થાય છે. પછી માળો તોડી નાખે તો એમને વાંધો નથી, પણ એ ઈંડાંની તરત સમજણ પડી જાય છે. ત્યારે આ દુષમકાળના અક્કલના કોથળા થઈ પડ્યા છે ! અક્કલનો કોથળો તે કોને કહેવાય કે મહીં ભર્યો છે કમઅક્કલનો અને ઉપર લખ્યું છે અક્કલ, માલ કાઢીએ ત્યારે બધું કમઅક્કલ નીકળે. નહીં તો દુનિયામાં મનુષ્યને દુઃખ તો હોતું હશે ?

જો તું મનુષ્ય થયો ને મનુષ્યમાં પણ દુઃખ મળે છે, તો તું મનુષ્ય જ કેમ કહેવાય ? જો જાનવરોને દુઃખ નથી, તો મનુષ્યને કેમ કરીને દુઃખ થાય ? તું તારી બાઉન્ડ્રી સમજતો નથી, તારી લાયકાત શું છે એ સમજતો નથી ને લોકોનાં કહ્યા પ્રમાણે જોઈ જોઈને ચાલ ચાલ કરે છે.

આ તો પોતાના અહિતમાં ચાલે કે પાડોશી સોફો લાવ્યો એટલે ઘરમાં બઈ શું કહેશે કે 'આપણે પણ સોફો લાવો.' અલ્યા, વહુ તો કહેશે, 'સોફો લાવો.' પણ વહુને પૂછીએ નહીં કે, 'તારે મારી નનામી કાઢવી છે કે શું ?' પણ વહુને સમજાવતાં નથી આવડતું બિચારાંને, કે વહુને કેમ કરીને સમજાવવી ! કારણ કે ધણી થતાં જ આવડ્યું નહીં.

આજે કોઈ પણ પ્રકારનું મનુષ્યોને ભાન રહ્યું નથી. મોક્ષનું ભાન ના રહ્યું તેનો તો વાંધો નથી. મોક્ષનું ભાન તો નથી હોતું, પહેલેથી જ નથી હોતું; પણ સંસારનાં હિતાહિતનું ભાન જોઈએ કે ના જોઈએ ? સંસારમાં મારું શી રીતે હિત થાય ને શી રીતે અહિત થાય, એટલું ભાન તો જોઈએ કે ના જોઈએ ?

પછી થાય ફસામણ !

પહેલા બઈને રોજ, 'ચાલ સિનેમા જોવા, ચાલ સિનેમા જોવા.' તે સિનેમામાં જાય. પછી બઈ થોડો ટેસ્ટ કરે ને કહેશે કે, 'આ બાબાને મારાથી નથી ઊંચકાતો.' ત્યારે પેલો કહેશે, 'લાવ હું ઊંચકી લઉં.' પછી એક-બે ભાઈબંધ મશ્કરી કરનાર મળે, તે કહેશે કે, 'અલ્યા, તારી જોડે આ વહુ છે તે એમ ને એમ ફરે છે ને બાબાને તું ઊંચકીને ફરે છે ?' ત્યારે પાછું મનમાં શરમ આવે. પછી વહુને કહેશે, 'એ ય તું ઊંચકી લે, હવે.' અલ્યા, તારે એને સિનેમા દેખાડવાની શું કામ જરૂર હતી ? ને બઈ બહુ કહેતી હોય તો, એ તો કહે. પણ આપણે જાણીએ કે આપણે ફસાઈ ગયા છીએ, તો હવે આનો ઉકેલ લાવો. એ બહુ કહેને, તો આપણે ઉકેલ લાવવો. પણ એને એવું ના કહેવાય, 'ચાલ સિનેમા જોવા.' 'ચાલ, ચાલ' ના કરાય. આ તો પૈણતી વખતે ય સોદાબાજી કરે છે ને !

એનાં કરતાં એ દુકાન કાઢીએ જ નહીં, તે શું ખોટું ? દુકાન વગર પડી રહેવું તે સારું. આવી દુકાન કાઢવી ને પછી ફસામણ થઈ જાય ! આને મનુષ્યપણું કેમ કહેવાય ? મનુષ્યપણું તો એને કહેવાય કે બાર મહિનામાં દિવાળી જેમ એક જ ફેરો આવે છે, પણ લાભપાંચમ સુધી એના પડઘા રહે છે, એવું આખા વર્ષમાં પાંચ દહાડા બહુ ત્યારે આફત આવે અને બીજા સામાન્ય રીતે સારા દિવસો જાય. પણ આ તો રોજ આફત, આફત વગર તો દિવસો જ કોઈ નહીં !

ક્લેશના પરિણામે કેવી સ્થિતિ !

હવે ક્લેશમાં ઘવાયેલાં માણસો, તે મન ઘવાઈ ગયેલાં હોય. મનમાં ઘાયલ થયેલાં છે, ચિત્તનાં ઘાયલ થયેલાં છે, અહંકારનાં ઘાયલ થયેલાં છે ! આમના અહંકાર જ ઘાયલ થયેલાં છે, એમને શું વઢવાનું ? આમને વઢો તો તમારા બોલ નકામા જાય. કેટલાક ચિત્તનાં ઘાયલ થયેલાં હોય છે તે બેચિત્ત જેવા જ ફર્યા કરતાં હોય. કેટલાંકનું મન ઘાયલ થયું હોય તે આખો દહાડો અકળાયેલો ને અકળાયેલો ફર્યા કરે, જાણે આખી દુનિયાની અગ્નિ એને ભરખી જવા ના આવી હોય ?!

પછી મનુષ્યપણું ખલાસ થાય !

તમને ગમે છે કકળાટ ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો ય થઈ જાય છે ને ?

પ્રશ્નકર્તા : કો'ક વાર.

દાદાશ્રી : તો એ તો દિવાળી ય કો'ક દા'ડો જ આવે ને, કંઈ રોજ આવે છે એ !

પ્રશ્નકર્તા : પછી પંદર મિનિટમાં ઠંડું પડી જાય, કકળાટ બેસી જાય.

દાદાશ્રી : આપણામાંથી ક્લેશ કાઢી નાખો. જેને ત્યાં ઘરમાં ક્લેશ ત્યાં માણસપણું જતું રહે પછી. તે આમ ઘણા પુણ્યથી માણસપણું આવે, તે ય હિન્દુસ્તાનનું માણસપણું અને તે પાછાં અહીં (અમેરિકામાં) તમને. એ ત્યાંના લોકો હિન્દુસ્તાનમાં તો ચોખ્ખું ઘી ખોળે છે તો ય જડતું નથી અને તમને રોજ ચોખ્ખું જ મળે છે, મેલું ખોળો તો ય જડે નહીં, કેટલા પુણ્યશાળી છો ! તે પુણ્ય પણ, ખોટું દુરૂપયોગ થાય પછી તો.

વધુ લફરાં, તો વધુ ક્લેશ !

પ્રશ્નકર્તા : હિન્દુસ્તાનમાં બધા જોઈન્ટ ફેમિલીમાં રહે છે અને આજુબાજુ, આડોશી-પાડોશી, એ બધાને લીધે ધણી-બૈરીમાં કકળાટ ને ક્લેશ વધારે હોય છે. જ્યારે અમેરિકામાં તો બીજું કોઈ નહીં, ધણી-ધણીયાણી બે જ. એટલે એકબીજાની જોડે વધારે એટેચમેન્ટ રહે છે અને સારી રીતે રહે છે, હિન્દુસ્તાન કરતાં.

દાદાશ્રી : ઘણું સારું કહેવાયને ! એ તો વખાણ કરવા જેવી વાત છે. એવું સારી રીતે રહેતા હોય તો ઘણું સારું કહેવાય.

પ્રશ્નકર્તા : ભારતમાં એવું શા માટે ?

દાદાશ્રી : ભારતમાં તો કકળાટ જ રહેવાનો છે. કકળાટ જવા માટે અમારી જોડે બહુ ટચમાં રહેવું પડે ત્યારે અમુક માણસો કકળાટથી રહિત થયા પણ એકદમ કકળાટ નહીં જાય ભારતનો તો. કારણ કે સાસુ હોય, વડસાસુ હોય, કાકીસાસુ હોય, પાછા કો'ક દહાડો આવીને કહેશે, 'આ વહુ તો બોલાવતાં ય નથી, હું તો માસીસાસુ થાઉં તારી...' મારે તારું શું કામ છે વગર કામનું. હું મારા ધણીને પૈણી છું. તું શું કરવા અહીં આગળ. મારે મારા ધણીનું કામ છે કે તમારું કામ છે તે ? પણ ત્યાં પેસી જાય, માસીસાસુ ને ફોઈસાસુ, બધા કેટલી જાતનાં લફરાં !

ક્લેશ થયો, ત્યાં ભગવાન નહીં !

આ સંસારમાં મનુષ્યો, હિન્દુસ્તાનની સ્ત્રીઓ-પુરુષો દિવસો કેવી રીતે કાઢે છે, એ ય અજાયબી છે ને ! કેટલી બધી મુશ્કેલીઓમાંથી પસાર થઈ જાય છે, તો ય પણ સાંજે બધાને શાંત કરીને આટલા ઝઘડાનો નિકાલ કરીને પછી મા સૂઈ જાય, પણ જ્યાં સુધી ઘરમાંથી ક્લેશ ના જાય ત્યાં સુધી ભગવાનનો વાસ ના હોય. ઘરમાં ક્લેશ હોય ત્યાં સુધી ભગવાન ના હોય. જ્યાં ક્લેશ છે ત્યાં ભગવાન નથી. જ્યાં ક્લેશ હોય ત્યાં ભગવાનનો વાસ રહે નહીં. એટલે આપણે ભગવાનને કહીએ, 'સાહેબ તમે મંદિરમાં રહેજો, મારે ઘેર આવશો નહીં ! અમે મંદિર બંધાવીશું, પણ ઘેર આવશો નહીં !!' જ્યાં ક્લેશ ન હોય ત્યાં ભગવાનનો વાસ નક્કી છે, એની તમને હું 'ગેરન્ટી' આપું છું. ક્લેશ થયો કે ભગવાન જતા રહે. અને ભગવાન જાય એટલે લોક આપણે શું કહેશે, ધંધામાં કંઈ બરકત નથી આવતી. અલ્યા, ભગવાન ગયા માટે બરકત નથી આવતી. ભગવાન જો હોયને ત્યાં સુધી ધંધામાં બરકત ને બધું આવે.

આવું નક્કી કરી તો જુઓ !

આપણા ઘરમાં ક્લેશરહિત જીવન જીવવું જોઈએ, એટલી તો આપણને આવડત આવડવી જોઈએ. બીજું કંઈ નહીં આવડે તો તેને આપણે સમજણ પાડવી કે, 'ક્લેશ થશે તો આપણા ઘરમાંથી ભગવાન જતા રહેશે. માટે તું નક્કી કર કે અમારે ક્લેશ નથી કરવો !' ને આપણે નક્કી કરવું કે ક્લેશ નથી કરવો. નક્કી કર્યા પછી ક્લેશ થઈ જાય તો જાણવું કે આમાં આપણી સત્તા બહાર થયેલું છે. એટલે આપણે એ ક્લેશ કરતો હોય તોય ઓઢીને સૂઈ જવું. એય થોડી વાર પછી સૂઈ જશે. અને આપણે પણ સામું બોલવા લાગીએ તો ?

ક્લેશ ના થાય એવું નક્કી કરો ને ! ત્રણ દહાડા માટે તો નક્કી કરી જુઓ ને ! અખતરો કરવામાં શું વાંધો છે ? ત્રણ દિવસના ઉપવાસ કરે છેને તબિયત માટે ? તેમ આ પણ નક્કી તો કરી જુઓ. આપણે ઘરમાં બધાં ભેગાં થઈને નક્કી કરો કે 'દાદા વાત કરતા હતા, તે વાત મને ગમી છે. તો આપણે ક્લેશ આજથી ભાંગીએ !' પછી જુઓ.

શક્તિઓની કેટલી નાદારી થઈ !

એવું નાનપણથી લોકો પૈસા કમા કમા કરે છે, પણ બેંકમાં જોવા જાય તો કહેશે, 'બે હજાર જ પડ્યા છે ?' અને આખો દહાડો હાયવોય, હાયવોય, આખો દહાડો કકળાટ, ક્લેશ ને કંકાસ ! હવે અનંત શક્તિ છે ને તમે મહીં વિચાર કરો ને તેવું બહાર થઈ જાય એટલી બધી શક્તિ છે; પણ આ તો વિચાર તો શું, પણ મહેનત કરીને કરવા જાય તો ય બહાર થતું નથી. ત્યારે બોલો, મનુષ્યોએ કેટલી બધી નાદારી ખેંચી છે !

દુઃખ દીધાથી ક્લેશ !

કોઈને દુઃખ થાય એવું વાતાવરણ ઊભું કરીએ એટલે આપણને ક્લેશ ઊભો થઈ જાય.

અને વાઈફ જોડે તો કકળાટ થાય નહીં. જેની જોડે કાયમનું રહેવાનું, ત્યાં કકળાટ કરે બેઉ, તો બન્ને સુખી થઈ જાયને પછી ?

પ્રશ્નકર્તા : ના થાય. દુઃખી થાય.

દાદાશ્રી : બન્નેય ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : અને આ તો એક જણ જો કકળાટ કરે તો એ એકલો જ દુઃખી. આમાં સાંભળનારને દુઃખ થયું કે ના થયું, દુઃખ થવું તે પોતાની અણસમજણ છે.

પ્રશ્નકર્તા : ક્લેશ ન કરવો હોય તોય થાય તો આને કોણ પહોંચી વળે ?

દાદાશ્રી : સોનું પહોંચી વળે. સોનું પહોંચી ના વળે ? સોનું પહેરાવે એટલે ઠંડા થઈ જાય. જોડે રહેવાનું અને પાછાં ક્લેશ વગર રહેવું એનું નામ જીવન કહેવાય. ક્લેશ ના થવો જોઈએ. કોઈને દુઃખ ના થવું જોઈએ ઘરમાં. રોજ ધણીને પૂછવું કે તમારે કશું દુઃખ થતું હોય તો મને કહો. એવી રીતે તને ય પૂછે એ.

પ્રશ્નકર્તા : હું તો રોજ પૂછું છું.

દાદાશ્રી : તમે શું પૂછો, કંઈ દુઃખ થતું હોય તો કહો, એમ ?

પ્રશ્નકર્તા : કહે જ નહીં ને ! પડવા ના દઈએ ને એવું દુઃખ.

દાદાશ્રી : એ તો ધણી સારા હોયને તો દુઃખ ના દે. ત્યારે છોકરાં દુઃખ દેતા હોય. પોતાનું પેટ પાકે, એવાં દુઃખ દે કે ખરેખરા દે.

જાતનો વિશ્વાસે ય ખલાસ ?!

પ્રશ્નકર્તા : એ ક્લેશને કારણે માણસને થોડી વૈરાગ્ય તરફ વૃત્તિ જાય છે !

દાદાશ્રી : ક્લેશને કારણે જે વૈરાગ્ય ઉત્પન્ન થયેલો હોયને, એ વૈરાગ્ય તો માણસને સંસારમાં વધારે ઊંડો ઉતારે, એના કરતાં એ વૈરાગ્ય ના આવે તો સારું. વૈરાગ્ય તો સમજણપૂર્વકનો હોવો જોઈએ. સમજણપૂર્વકનો વૈરાગ્ય કામનો છે, બાકી આ બીજા બધા વૈરાગ્ય તો કામના જ નહીં. આ 'સાઈનાઈડ' શા હારુ લોક પીતાં હશે ? વૈરાગ્ય આવે છે તેથી ને ? પોતાની જાત ઉપરનો વિશ્વાસ ખલાસ થઈ ગયો, ત્યારે પછી પોઈઝન ખોળે ને ? કોઈ જાનવરને પોતાની જાત ઉપર વિશ્વાસ ખલાસ નથી થતો. આ મનુષ્ય સિવાય બધી જાતિ છે, તેમને પોતાની જાત પરનો વિશ્વાસ ખલાસ નથી થતો. આ એકલાં મનુષ્યો જ બિલકુલ પામર જીવો છે, બુદ્ધિ વાપરે છે એટલે પામર થયેલાં છે. આને ભગવાને નિરાશ્રિત કહેલાં છે, બીજાં બધાં આશ્રિત છે. આશ્રિતને ભો ના હોય. કાગડા, બધાં પંખીઓ એ બધાંને કશું ય દુઃખ ? જે જંગલમાં ફરનાર છે, શિયાળ, એ બધાને ય કશાં દુઃખ નથી. ફક્ત આ મનુષ્યોનો સંગ કર્યો, એ કૂતરાં, ગાયો એ બધાં દુઃખી હોય છે. બાકી, આ મનુષ્ય એ મૂળ તો દુઃખી છે અને એમના સંગમાં આવે છે તે બધાં ય દુઃખી થાય છે.

ગાળ્યા જીવન ક્લેશમાં !

આ બંગલામાં ય સુખ ના આવ્યા ! આવડાં આવડાં મોટા બંગલા !! જુઓ, બંગલામાં અજવાળું કેટલું, લાલ-લીલા અજવાળાં છે, સ્ટેનલેસ સ્ટીલની થાળીઓ કેટલી, પણ સુખ ના આવ્યું. આખો દહાડો ધમાચકડી, ધમાચકડી....! આ કાગડાઓ, ચકલીઓ બધાં માળામાં જઈને સંપથી બેસી રહ્યા હોય અને આ મનુષ્યો જ કોઈ દહાડો સંપથી બેસે નહીં ! હમણાં પણ ટેબલ ઉપર લઢતાં હશે, કારણ કે આ જાત પાંસરી પહેલેથી જ નથી. સત્યુગમાં ય પાંસરી નહોતી, તો કળિયુગમાં, અત્યારે દુષમકાળમાં ક્યાંથી પાંસરી હોય ?! આ જાત જ અહંકારીને ! આ ગાયો-ભેંસો બધા 'રેગ્યુલર', એમને કશો ડખો ના હોય. કારણ કે એ બધાં આશ્રિત છે. મનુષ્યો એકલાં જ નિરાશ્રિત છે. તેથી આ મનુષ્યો બધાં ચિંતા કરે છે. બાકી વર્લ્ડમાં બીજાં આ જાનવરો કે કોઈ દેવલોકો ચિંતા નથી કરતાં.

આ એકલાં મનુષ્યો જ ચિંતા કરવાનાં. આવાં સરસ બંગલામાં રહે તો ય ચિંતા પાર વગરની ! અત્યારે ખાતી વખતે ય દુકાન સાંભર્યા કરે કે, 'દુકાનની બારી ઉઘાડી રહી ગઈ, પેલાની ઉઘરાણી રહી ગઈ !' તે અહીં ખાતો ખાતો ચિંતા કર્યા કરે કે જાણે હમણાં જઈને પહોંચી ના જવાનો હોય ?! અરે, મેલને પૂળો ! ખઈ તો લે છાનોમાનો !! પણ પાંસરી રીતે ખાવાનું ય ના ખાય. બારી ઉઘાડી રહી ગઈ તેથી મહી ચિઢાયેલો હોય, તેથી પછી વહુ જોડે બહાનું કાઢીને વઢવાડ માંડે. અલ્યા, તું ચિઢાયેલો છે ને કો'કની ઉપર અને વહુ ઉપર રીસ શું કરવા કાઢે છે ? તેથી આપણા કવિઓ ગાતા કે 'નબળા ધણી બાઈડી પર શૂરા.' બીજે ક્યાં શૂરો થાય ? બહાર શૂરો થવા જાય તો કો'ક મારે ! એટલે ઘેર શૂરો !! આપણને આ બધું શોભે ? આપણે હિન્દુસ્તાનનાં મનુષ્યો, એક એક મનુષ્યોમાં જબરજસ્ત શક્તિ ! પણ કેવું ઊંધું વપરાઈ રહ્યું છે ! આમાં એમનો ય દોષ નથી. એમને જ્ઞાન છે, તે ઊંધું મળ્યું છે તેથી ઊંધું ચાલે છે. જો છતું જ્ઞાન આપવામાં આવે તો છતાં ચાલે એવાં છે. આ તમને છતું જ્ઞાન મળ્યા પછી તમારી કેટલી બધી શક્તિ વધી ગઈ ! દર્શન-સૂઝ બહુ વધી જાય !!

ક્લેશ પેસે ચોગરદમથી !

આ કંઈ એક જાતનાં તૂંબડાં છે ? કેટલા પ્રકારનાં તૂંબડાં છે ? જેટલાં તૂંબડાં એટલી મતિ. તૂંડે તૂંડે મતિર્ભિન્ના ! તે તૂંડ તો ક્યાં સુધી કહેવાતું હતું કે જ્યાં સુધી ઘરમાં ક્લેશને પેસવા નહોતા દેતાં, એટલી તો ચોકસાઈ હતી, ત્યાં સુધી એ તૂંડ કહેવાતા હતા ! અત્યારે તો ક્લેશને પેસવા દે છે એટલા ભોળા છે માટે તૂંબડાં કહેવાય. અત્યારે તો ક્લેશ પેસી ગયો હોય છે કે નહીં ? ઘણી વાડ કરે તો ય પેસી જાય છે ને ? છેવટે મોરી વાટે રહીને ય ક્લેશ પેસી જાય. બારણાં વાસેલાં રાખે, પાછા ચાંપ રાખે કે ઘંટડી વાગે તો જ બારણું ઊઘડે, પણ તો ય મોરી વાટે પણ ક્લેશ પેસી જાય. શાથી તૂંબડાં કહ્યા કે ઘરનું ખાય છે, ઘરનાં લૂંગડાં પહેરે છે, કંઈ બધાં ચોરીઓ કરતાં નથી અને પછી ક્લેશ કરે છે. ઘરમાં ઉત્પાદન થાય ને ઘરમાં જ વાપરે, આવું લોક થઈ ગયું છે !

સુખના ગુણાકાર, દુઃખના ભાગાકાર ?

કાળજી રાખવાના ગુણાકારથી તો આખું જગત રઝળપાટ કરે છે. કાળજી રાખવાની તો જરૂર જ નથી ને ! કાળજીના ગુણાકાર કરવાની જરૂર નથી અને નિષ્કાળજીના ભાગાકાર કરવાની પણ જરૂર નથી. આ તો આખો દહાડો કાળજીમાં ને કાળજીમાં, કાળજીમાં ને કાળજીમાં ! છતાં કશું ધોળતાં નથી ને નથી કશું કોઈ બરકત આજે આવતી ! આટઆટલું ખાતાં-પીતાં, આટલી કમાણી હોવા છતાં કોઈ સુખી નહીં ? આ કઈ જાતનું ?! વ્યવહારમાં એવું નિષ્ક્લેશ તો હોવું જોઈએ ને ? વ્યવહાર કંઈ ક્લેશવાળો ઓછો હશે ? વ્યવહાર તો નિષ્ક્લેશ જ છે. ફક્ત એને જીવન જીવતાં નથી આવડતું, એટલે એને ક્લેશ ઊભો થઈ જાય છે.

ક્લેશ ઘટાડે, તે ધર્મ !

આ તો કેટલી ચિંતા-ઊકળાટ ! કશો ય મતભેદ જતો નથી, તો ય મનમાં માને કે મેં કેટલો ધર્મ કર્યો ! અલ્યા, ઘેર મતભેદ ટળ્યો ? ઓછો ય થયો છે ? ચિંતા ઓછી થઈ ? કંઈ શાંતિ આવી ? ત્યારે કહે, 'ના, પણ મેં ધર્મ તો કર્યો જ ને ?! અલ્યા, શાને ધર્મ કહે છે તું ? ધર્મ તો મહીં શાંતિ આપે, આધિ-વ્યાધિ-ઉપાધિ ના થાય, એનું નામ ધર્મ ! સ્વભાવ ભણી જવું, એનું નામ ધર્મ કહેવાય. આ તો ક્લેશ પરિણામ વધારે ને વધારે થયા કરે છે !

આવાં બધા રસ્તા છે ને ઊંધા રસ્તા પણ છે, પણ હાઈવેની વાત જુદી છે. બધા રસ્તા બીજા બહુ હોય હાઈવે કરતાં. હાઈવેની અંદર તો, ઘરમાં બૈરી-છોકરાં બધાં હોય તોય ક્લેશ ના થાય, ત્યારે જાણવું કે આપણે હાઈવે ઉપર છીએ. નહીં તો આડા ફાંટે ! રસ્તા બધા બહુ છે. એનું લેવલ કંઈક હોવું જોઈએને ! અને ત્યાં આગળ હાઈવેમાં રહેવું આપણે. તમને બેન ખબર પડે કે ના પડે, ક્લેશ છે કે નહીં તે ?

પ્રશ્નકર્તા : પડે.

દાદાશ્રી : એટલું જ જોઈ લેવાનું. અને ક્લેશ ના થાય તો જાણવું કે આપણે આ સાચા માર્ગ ઉપર છીએ. મુક્તિનો ધર્મ જુદો છે અને સંસારનો ધર્મ જુદો છે. સંસારનો ધર્મ સાચો ખરો પણ એના ઘરમાં ક્લેશ ના રહે. અને જો ક્લેશ છે ને પછી કહે છે કે અમારો ધર્મ સાચો તો એ મતાર્થીઓ છે. મતનું જ રક્ષણ કરે છે. પોતાના આત્માનું રક્ષણ કરતા નથી. એટલે ક્લેશ ઘરમાં ના રહે ત્યારે જાણવું કે આપણે કંઈક ધર્મ પામ્યા. આ તો નકામું મનમાં માથે બોજો લઈને ફર્યા કરે છે. હું કંઈક કરું છું. હું ફલાણા ધર્મનો છું, વળી ફલાણા સંપ્રદાયનો છું. અલ્યા મૂઆ, ઘરમાં તો ક્લેશ બહુ છે. તમારાં મોઢાં દિવેલ પીધેલા જેવા દેખાય છે. જ્યાં ધર્મ હોય ત્યાં મોઢાં ઉપર દિવેલ હોય ? પેલું મહીં કૈડ્યા કરે છે. તે આ ધર્મ સમજ્યા નથી એટલે !

ક્લેશ ને ધર્મ બે સાથે ચાલતાં હોય તો ક્લેશ ઓછો થતો જવો જોઈએ. જો ઓછો થતો જાય તો જાણવું કે ધર્મની અસર થાય છે. પણ ઓછો જ ના થતો હોય તો શું ? અને જ્યાં ક્લેશ થાય ત્યાં અધર્મ જ છે. કમ્પલીટ અધર્મ, ધર્મના નામે તે અધર્મ જ કરી રહ્યા છે. તો ય આવી દુનિયા ચાલે છેને !

એવો ધર્મ દેખાડે દાદા !

લોકોને ઘેર ક્લેશ ના થાય, ક્લેશીત જીવન ના રહે એવો ધર્મ જ બતાવવાનો છે. અત્યારે આ ધર્મ તો અપસેટ થઈ ગયો છે. એટલે આ લોકો ક્લેશીત જીવન જીવે છે. નહીં તો આ જૈનો-વૈષ્ણવો કંઈ ગુનેગાર છે ? એવું નથી. છતાં ય કેમ ચિંતાઓ આટલી બધી છે ?! કારણ કે આખું જીવન જ ક્લેશીત છે.

આખો ધર્મ જ આમ હતો, તે અત્યારે આમ ઊંધો થઈ ગયો છે. એટલે જે આમ ઊંધું થયેલું છે, તેને ફરી પાછું આમ ઊંધું કરી આપીશું. બહુ જ સહેજમાં જ ક્લેશ વગરનું જીવન થાય એવું છે ! અને આ લોકોને વગર મહેનતનો ધર્મ આપીશું. આમનાં મોઢાં ઉપર તો દિવેલ ફરી વળેલું છે, આમની પાસે શું મહેનત કરાવડાવીએ ? મોઢાં ઉપર દિવેલ નથી દેખાતાં બહાર લોકોને ? મોઢાં ઉપર દિવેલ ચોપડીને ફરતાં હશે ? એનું શું કારણ ? આ લોકોને મહેનત આપવા જેવી નથી, તપ-ત્યાગ કરાવવાં જેવું નથી, દુઃખી જ છે બિચારાં. પાછું કહેશે, 'ફલાણું ખાવાનું છોડી દો.' અલ્યા, એ એકલું જ તો ભાવે છે બિચારાંને, એ શું કરવા છોડાવી દે છે ? એને ત્યાગ કરાવવા જેવો જ નથી. એને સુખ જ નથી કોઈ જાતનું ! કરૂણા આવે એવું થઈ ગયું છે ! અમને આમ દેખાય બધું, તે અમને કરૂણા આવે કે આમાંથી, આ દુઃખોથી આ લોકોને મુક્તિ થાય.

વ્યભિચારિણી બુદ્ધિ કરાવે ક્લેશ !

જ્યાં કકળાટ છે, ક્લેશ છે, ત્યાં આગળ એ ઘર સારું ના લાગે. અને કકળાટ કરવાનું કારણ ઘરમાં હોતું જ નથી, આપણા ભારતીયોને તો હોતું જ નથી. પણ આ અણસમજુ માણસ શું કરે ? મેડનેસ (ગાંડપણ) ને લઈને કકળાટ જ કર્યા કરે.

પ્રશ્નકર્તા : જેમ કે અમુક માણસોનો સ્વભાવ જ એવો હોય કકળાટ કરવાનો, તો ?

દાદાશ્રી : એટલે જ કહું છુંને કે દુઃખ નથી પણ દુઃખ ઊભાં કરે છે, ઇન્વાઇટ (આમંત્રણ) કરે છે. કોઈને દુઃખ જ નથી કોઈ જાતનું. ખાવા-પીવાનું બધું ય છે, કપડાં-લત્તાં છે, રહેવાનું ફ્રી (મફત) છે, બધું સાધન છે પણ દુઃખ ઊભાં કરે છે. બહુ થોડા ટકા પાંસરો માલ છે. બાકી રબીશ મટીરિયલ (કચરો માલ) છે બધાં. રબીશ છતાં વિચારશીલ છે, ડહાપણવાળો છે, બુદ્ધિ છે તે વ્યભિચારિણી બુદ્ધિ છે, થોડીક બુદ્ધિ ડેવલપ (વિકાસ) થયેલી છે તે અવ્યભિચારિણી થઈ શકે એમ છે. સારા ટચમાં આવે તો ફેરફાર થઈ જાય. સંસ્કારની જરૂર છે. સાવ જડ નથી આ. ખોટી ખોટી પણ ખરાબ પણ બુદ્ધિ ઊભી થઈ. પહેલાં તો ખરાબે ય નહોતી. ખરાબ થઈ હોયને તો એને સંસ્કારી કરી શકાય. બુદ્ધિ ડેવલપ થયેલી હોયને તેથી !

કૃષ્ણ ભગવાને કહ્યું છે બે પ્રકારની બુદ્ધિ, અવ્યભિચારિણી અને વ્યભિચારિણી. વ્યભિચારિણી એટલે દુઃખ જ આપે અને અવ્યભિચારિણી બુદ્ધિ સુખ જ આપે, દુઃખમાંથી સુખ ખોળી કાઢે. અને આ તો બાસમતીના ચોખામાં કાંકરા નાંખીને ખાય પછી. અહીં અમેરિકાનું ખાવાનું કેટલું સરસ ને ચોખ્ખા ઘી મળે, દહીં મળે. કેવો સરસ ખોરાક ! જિંદગી સરળ છે છતાં ય જીવન જીવતાં ના આવડે એટલે માર ખઈએ પછી.

આપણને હિતકારી શું છે એટલો તો વિચાર કરવો જોઈએ ને ! પૈણ્યા તે દહાડાનો આનંદ સંભારીએ તો હિતકારી કે રાંડ્યા તે દહાડાનો શોક સંભારીએ તો હિતકારી ?! આપણે પૈણ્યા તે દહાડાનો આનંદ સંભારીએ તો એ આપણને હિતકારી છે. રાંડ્યા તેના શોકને શું કરવાનું છે ? બે જણ પૈણવા બેસે છે ત્યાં જ બે જણમાંથી એક જણે રાંડવાનું તો છે જ. આ પૈણ્યાનો સોદો જ એવો કર્યો છે અને એમાં કકળાટ શો પછી ? જ્યાં સોદો જ એવો હોય ત્યાં કકળાટ હોતા હશે ? બેમાંથી એકે નહીં રાંડવાનું ?

પૈણતાં જ તૈયારી રંડાપાની !

અમારે તો પૈણતી વખતે જ રંડાપાનો વિચાર આવેલોને ! તે પૈણતી વખતે નવો સાફો બાંધેલો. અમે ક્ષત્રિયપુત્ર કહેવાઈએને, તે દહાડે ફેંટો પહેરતા હતા અને પહેરણ પહેરીને ૧૫-૧૬ વર્ષનો છોકરો એ ય રૂપાળા બંબ જેવા દેખાય. અને ક્ષત્રિયપુત્રો એટલે ચોગરદમ ભરેલાં હોય. અને કાંડું તો જોરદાર હોય. આવું કાંડું ના હોય. તે દહાડે તો બહુ જોરદાર કાંડું, તે આ તો બધું સૂકાઈ ગયું, જાણે દૂધિયું સુકાઈ જાયને ! તે ૧૫ વર્ષે પૈણવા બેઠેલો અને ધામધૂમથી પૈણેલો. પૈઠણ લીધેલી. એ ટાઈમમાં 'થ્રી થાઉઝન્ડ રૂપીઝ' લીધેલા. '૨૩ની સાલમાં પૈણેલો. તે દહાડે બહુ મંદી, જબરજસ્ત, તો ય ધામધૂમથી ચાર ઘોડાની ફેટીન હતી. અને ફેટીનને લાવીએ ને બધું વગાડે. અને પેલા દીવા હતા. ચૂનો ને બધું નાંખીને સળગાવે. પછી પૈણવા બેઠો તે માંહ્યરામાં બેઠો એટલે પછી માંહ્યરામાં હીરાબાને પધરાવી ગયા. એમના મામા કન્યાને પધરાવી જાયને ત્યારે એ તેર વર્ષનાં અને હું પંદર વર્ષનો. તે ફેંટા ઉપર મોટો એ મૂકેલો ફૂલોનો, પેલું શું કહે છે એને ? ખૂંપ. એ ઉપર મૂકેલોને, તે એનાં ભારથી ફેંટો પેલો સુંવાળો એટલે ખસી ગયો. તે અહીં આંખ ઉપર આવી ગયો. એટલે હીરાબા દેખાયા નહીં. હું જાણું કે વહુને બેસાડીને જશે. પણ પેલું દેખાયું નહીં, એટલે

મેં ખસેડી ખસેડીને જોયું. ત્યારે મહીંથી વિચાર આવ્યો, કે અરે છે તો રૂપાળાં. અને મેં પહેલેથી જોયેલાં. મારી સહમતી ફાધર-મધર સમજી ગયેલાં. તે એક ફેરો મેં એમને જોયેલા. એટલે પછી આ લોકો વાત કરેને, એટલે મનમાં હા-ના કશું બોલે નહીં. એટલે પેલા સમજી જાય કે છોકરો સમજે છે આ. એટલે એમનો માલે ય વેચાયો. એમને ત્રણ હજાર રૂપિયા આવવાના થયા અને મને ય વાંધો ના આવ્યો !

પછી પેલો ફેંટો ખસી ગયા પછી મહીં વિચાર આવ્યો કે આ પૈણવા તો માંડ્યું, છે તો સારાં, મંડાયું ખરું, પણ હવે બેમાંથી એક તો રાંડશેને !

પ્રશ્નકર્તા : એટલી ઉંમરે તમને એવા વિચાર આવેલા ?

દાદાશ્રી : હા, ના આવે બળ્યું આ ? એક તો ભાંગેને પૈડું, બળ્યું ? મંડાયું એ રંડાયા વગર રહે નહીં.

પ્રશ્નકર્તા : પણ પૈણતી વખતે તો પૈણ ચઢ્યું હોય, કેટલો બધો મોહ હોય, એમાં આવો વૈરાગ્ય વિચાર ક્યાંથી હોય ?

દાદાશ્રી : પણ તે વખતે વિચાર આવ્યો કે આ મંડાયું ને પછી રંડાપો તો આવશે, બળ્યો ! બેમાંથી એકને તો રંડાપો આવશે, કાં તો એમને આવશે કાં તો મને આવશે !

પ્રશ્નકર્તા : એટલે પછી લગ્નનો આનંદ જતો રહ્યો એ વિચારથી ?

દાદાશ્રી : આનંદ તો હતો જ નહીં. અહંકારનો જ આનંદ હતો. હું કંઈક છું, તેનો આનંદ હતો. લોકોને મોહનો આનંદ હોય. અમારા સાસુ તો જો જો જ કર્યા કરે. પંદર વર્ષે મને ઊંચકી લીધેલો એ બઈએ. કેડમાં ઘાલેલા. સાસુને વહાલા લાગ્યા. આવા જમાઈ મળે નહીં. ગોળ ગોળ મોઢું લાડવા જેવું છે, એવું હઉ બોલેલા. એટલે હવે એ એના મોહમાં ને આપણે અહંકારમાં. પણ આ પૈડું ભાંગી જવાનું, આમાં રંડાપો આવવાનો જ. પછી શું થાય આપણને?

પૈણવા જઈએ તો પૈઠણ આપે લોકો. કોના પર પૈઠણ આપે છે ? એના હારુ આપતાં હશે કે ઘરમાં વાઈફને તમે બાંધીને મારવા હારુ આપતા હશે ? પહેલાં તો પૈઠણો શેની આપતાં'તા, કે આ ઘરમાં તો કકળાટ જ નહીં બિલકુલ ! ઘરમાં કોઈ કકળાટ નહીં, કોઈને દુઃખ ના આપે, એ સ્થિતિ આપણને હોવી જોઈએ ને !

ક્લેશ સમયે સાવધાન !

બધાંની હાજરીમાં, સૂર્યનારાયણની સાક્ષીએ, ગોરની સાક્ષીએ પૈણ્યો ત્યારે ગોરે સોદા કર્યા કે 'સમય વર્તે સાવધાન'. તે તને સાવધ થતાંય નથી આવડતું ? સમય પ્રમાણે સાવધ થવું જોઈએ. ગોર બોલે છે, 'સમય વર્તે સાવધાન'. તે ગોર સમજે, પરણનારો શું સમજે ?! સાવધાનનો અર્થ શું ? તો કહે, બીબી ઉગ્ર થઈ હોય ત્યારે તું ઠંડો થઈ જજે, સાવધ થજે. 'સમય વર્તે સાવધાન', તે જેવો સમય આવે, એવું સાવધ રહેવાની જરૂર. તો જ સંસારમાં પૈણાય. એ જો ઉછળી ગઈ હોય અને આપણે ઉછળીએ તો અસાવધપણું કહેવાય. એ ઉછળે ત્યારે આપણે ટાઢું પાડી દેવાનું. સાવધ રહેવાની જરૂર નહીં ? તે અમે સાવધ રહેલા. ફાટ-બાટ પડવા ના દઈએ. ફાટ પડવાની થઈ કે વેલ્ડિંગ સેટ ચાલુ પાછું. પણ લોકોને તો દાળમાં મીઠું વધારે પડ્યું, તે બધા ઉપર રો-કકળાટ, એમ નહીં કે આપણે એડજસ્ટ થઈએ. ત્યારે મુખ્ય વાત એ જ કે ભઈ આજ દાળમાં મીઠું વધારે છે, તો આપણે સમય આવ્યો એટલે સાવધ થઈ જવાનું અને જરા ઓછી ખાવાની પણ બૂમાબૂમ નહીં કરવાની ને સમય વર્તે સાવધાન થવાનું, એટલા સારુ કહે છે, પણ સમય પ્રમાણે વર્તતા જ નથીને ! બોલી ઊઠે તરત. અલ્યા મૂઆ, નાના છોકરાને ય ખબર પડશે, ખારી છે તે. ના ખબર પડે ? તે આ પહેલો બોલી જાય !

સુખ આપતાં સુખ મળે !

પ્રશ્નકર્તા : મુખ્ય વસ્તુ એ કે ઘરમાં શાંતિ રહેવી જોઈએ.

દાદાશ્રી : શાંતિ કેવી રીતે રહે પણ ? શાંતિ તો છોડીનું (છોકરીનું) નામ પાડીએ તો ય શાંતિ ના રહે. એના માટે તો ધર્મ સમજવો જોઈએ. ઘરમાં માણસો બધાંને કહેવું જોઈએ કે 'ભઈ, આપણે બધાં ઘરનાં માણસો કોઈ કોઈનાં વેરવી નથી, કોઈ કોઈનો ઝઘડો નથી. આપણે મતભેદ કરવાની કંઈ જરૂર નથી. વહેંચી વહેંચીને શાંતિપૂર્વક ખઈ લો. આનંદ કરો, મઝા કરો. એવી રીતે આપણે વિચારીને બધું કરવું જોઈએ. ઘરના માણસો જોડે કકળાટ ક્યારેય ના કરવો જોઈએ. એ જ ઓરડીમાં પડી રહેવાનું ત્યાં કકળાટ શા કામનો ? કોઈને પજવીને પોતે સુખી થાય એ ક્યારેય ના બને ને આપણે તો સુખ આપીને સુખ લેવું છે. આપણે ઘરમાં સુખ આપીએ તો જ સુખ મળે ને ચા-પાણી ય બરોબર બનાવીને આપે, નહીં તો બગાડીને આપે.

અથડામણ કરાવે કકળાટ !

પહેલાં તો હેંડતા-ચાલતાં ય બહાર કોઈકની જોડે વઢીને આવ્યો હોય, અગર બોસે એને ટૈડકાવ્યો હોય તો અહીં ઘેર આવીને બૂમો પાડે. અલ્યા, સારુ સારુ જમવાનું છે તે જમી લે ને પછી બોલ. પણ ના, આ પહેલાં જ પગ પછાડે મૂઓ. તે વાંકો જ મૂઓ છે ને ! તમે જોયેલા કે નહીં એવા કોઈ જગ્યાએ ?

પ્રશ્નકર્તા : એ તો જોયેલા, બધે જોયેલા મેં. પોતાનું ય જોયેલું. સહુને ત્યાં વાસણ ખખડે જ ને !

દાદાશ્રી : મને એ બહુ કંટાળો આવે કે બળ્યું, જીવનમાં ખાઓ-પીવો ને આ શું ? ઘરનું ખાઈને ઘરમાં કચકચ કરવી ?

અમારા મોટાભાઈ, તે અમારાં ભાભી છે તે સ્ટવ સળગાવવા ગયાં, મહેમાન આવેલા. તે ભાઈને કંઈ સહેજ ઉતાવળ હશે, એટલે ચા જલદી મૂકાવી. ભાભી સ્ટવમાં પીન નાખે અને કંઈ ભરેલું હશે એટલે નીકળ્યો નહીં કચરો. મહીં ફૂંકાફૂંક કરે, પણ તે દહાડે સ્ટવ બરોબર ચાલ્યો નહીં. આ તો સાઈઠ વર્ષ પહેલાંની વાત કરું છું. પછી અમારા ભઈએ શું કર્યું ? એ તો ગુસ્સે થઈને સ્ટવ ને બધું બહાર ફેંકી દીધું, હડહડાટ ! સળગતો સ્ટવ ફેંકી દીધો અને કપરકાબી ય ફેંકી દીધા. બધા મહેમાન તો અંદર બેઠેલા, તે મેં કહ્યું, હવે શું કરશો ત્યારે કહે, શું કરીશું હવે ચાનું પેલું ? તો ચા પાછલે બારણેથી જઈને લઈ આવ હૉટલમાંથી, ક્યાંકથી. મેં કહ્યું, હૉટલમાંથી ના લાવું અહીં, સ્ટવ લઈ આવું છું જોડેવાળાનો. પણ આ કપ-રકાબી ફોડી નાખી તે ના ફોડી નાખત તો ચાલત જ ને ! આવું બધું કર્યું. બધાં કપરકાબી નાખી દીધા. શું આમને શોભે ? અને ભાભી, એ ય શું કરે તે ? સ્ટવ ખરાબ હોય તો શું કરે ?

પ્રશ્નકર્તા : પણ એ સમજે નહીંને !

દાદાશ્રી : ના, પણ એવા કેવા મહેમાન, કે ભગવાન કરતાં ય મોટાં ? મહેમાનને કહી દઈએ, કે ભઈ સ્ટવ સળગતો નથી. કોઈ હોંશિયાર છો, મને જરા સળગાવી આપોને, કહીએ. અલ્યા, કંઈ ગોઠવી નાખ ને ! આપણો ભાવ છે એને ચા પાવાનો. મહેમાન આગળ આબરુ જાય, તે આબરુ સ્થિર કરવા શું ઘરમાં ક્લેશ કરવો ?

આ નકશા એમ કંઈ ભૂલી જઉં ઓછો ? આ નકશા કંઈ ભૂલી જવાય ? આ બધા નકશા જોયેલા હોયને !

પ્રશ્નકર્તા : જોયેલા હોય.

દાદાશ્રી : તે સળગતો સ્ટવને બહાર પડેલો જોયેલો ને કપ-રકાબીને ફૂટી ગયેલાં જોયેલાં !

પ્રશ્નકર્તા : ફેંકવાથી બધો કચરો નીકળી જાય ઘણીવાર.

દાદાશ્રી : અમારા ભઈએ કર્યું એવું પણ કચરો ના નીકળ્યો, પછી ભાભી કહે છે, એ તો ના કહે છે, પણ તમે લઈને આવો ને બળ્યા ! કપ તો લઈ આવો, મહીં કપ-રકાબી તો લાવવા પડેને ! સ્ટવ તો સમો કરાવીને પછી વાપરતાં'તાંને ! ત્યારે ય કંઈ એમ ને એમ મફત આવતાં'તા ? સાત રૂપિયા લેતા હતા પિત્તળના સ્ટવના !

પ્રશ્નકર્તા : તે દિવસે સાત રૂપિયા સહેલા નહોતા.

દાદાશ્રી : હા.

કાઢી મેલો ક્લેશને !

હવે ક્લેશ તો દરેકને ના કરવો હોય, પણ થઈ જાય છે. એને શું કરવાનો ? ક્લેશ તો દરેકને ના જ કરવો હોય ને ? પણ એની મેળે ક્લેશ થઈ જાય, તે શું કરે ? ક્લેશ તમે સમજ્યા ? તમે એકલા સ્વતંત્ર રહો છો કે ફેમિલી સાથે છો ?

પ્રશ્નકર્તા : ભાઈ-બહેન, મધર-ફાધર બધાં સાથે જ રહું છું.

દાદાશ્રી : ઘરમાં, એ વાતાવરણમાં કોઈક દહાડો ક્લેશ થઈ જતો હશે ને ?

પ્રશ્નકર્તા : કોઈક વાર થાય.

દાદાશ્રી : પછી કોણ કાઢી મેલે એ વાતાવરણને ? એ ક્લેશનું વાતાવરણ ઘરમાં આખી રાત એમને એમ રહે છે કે કાઢી મેલો છો ?

પ્રશ્નકર્તા : કાઢી મૂકીએ છીએ.

દાદાશ્રી : શી રીતે કાઢી મેલો ? લાકડી મારીને ? આ લોકોને ક્લેશનું વાતાવરણ કાઢી મૂકવાની ઇચ્છા છે, પણ શેનાથી કાઢે ?

પ્રશ્નકર્તા : ક્લેશ ભૂલી જવાનો ને આનંદનું વાતાવરણ કરવાનું.

દાદાશ્રી : એવું છે, આ બધી લાઇફો ફ્રેક્ચર થઈ ગયેલી છે, માઇન્ડ ફ્રેક્ચર થઈ ગયાં છે, બુદ્ધિ ફ્રેક્ચર થઈ ગઈ છે, એવા જમાનામાં માણસો શું ખોળે છે ? એટલે હવે ફરી માઇન્ડની મજબૂતી થવી જોઈએ. માઇન્ડની મજબૂતી ક્યારે થાય ? જ્ઞાની પુરુષનાં દર્શન કરે, ખાલી દર્શનથી જ માઇન્ડની મજબૂતી થઈ જાય.

સમજણ સજાવે વ્યવહાર !

ક્લેશ કરાવનારું કોણ ? અજ્ઞાન !

ખરેખર તો આ દુનિયામાં ક્લેશ જેવી વસ્તુ જ ક્યાં છે ? ક્લેશ એટલે અણસમજણ. જ્યાં જ્યાં સમજણ નથી ત્યાં ક્લેશ છે અને જ્યાં જ્યાં સમજણ નથી ત્યાં દુઃખ છે. આ દુઃખે ય વસ્તુ છે જ નહીં, દુઃખ એ તો સમજણના અભાવનું દુઃખ છે.

મોઢું ચઢાવીને ઘરમાં બેસે, તે ક્લેશ કહેવાય.

ન આવડે ગૂંચનો નિકાલ કરવાનું !

મનુષ્યો અણસમજણથી દુઃખી છે, સમજણ લેવા ગયો તેથી દુઃખી છે. જો સમજણ લેવા ના ગયો હોત તો આ અણસમજણ ઊભી ના થાત. દુઃખ એ બધું અણસમજણનું પરિણામ છે. પોતે મનમાં એમ માને કે, 'મેં આ જાણ્યું, આ જાણ્યું.' અલ્યા, શું શકોરું જાણ્યું તે ? જાણ્યું છતાં ય વહુ જોડે તો વઢવાડ મટતી નથી. કોઈ દહાડો વહુ જોડે વઢવાડ થાય છે તેનો નિકાલ કરતાં ય તને આવડતું નથી, પંદર દહાડા તો મોઢાં ચઢેલાં હોય છે. કહેશે, 'શી રીતે નિકાલ કરું ?' જેને વહુ જોડે વઢવાડ થયેલી નિકાલ કરતાં ના આવડે ત્યાં સુધી એ ધર્મમાં ય શું સમજવાનો છે ? પાડોશી જોડે વઢવાડ થયેલી હોય તો નિકાલ કરતાં ના આવડે, તે કામનું શું ? વઢવાડનો નિકાલ કરતાં તો આવડવું જોઈએ ને ?

આવાં મોટા મોટા જજો હોય છે તે સાત વર્ષની સજા મારે છે ને પાછાં એ જજ મને ભેગા થયેલાં, તે ઘેર એને વહુ જોડે ભાંજગડ પડી હોય તે કેસ હજી પેન્ડિંગ પડેલા હોય ! મેં કહ્યું કે, 'એ કેસનો પહેલો ઉકેલ લાવોને ! આ સરકારી કેસનો તો વાંધો નથી.' પણ આમાં શી રીતે ઉકેલ લાવે ? આની સમજણ જ નથી ને ! વહુ જોડે વઢવાડ થાય તો શી રીતે ઉકેલ લાવવો, તેની સમજણ નથી ને ! મનુષ્યમાં આનો નિકાલ કેમ કરવો એની સમજણ નથી, ત્યારે ટાઇમ એને નિકાલ કરી આપે છે. બાકી પોતાની જાતે, હમણે ને હમણે, તરત ને તરત 'એડજસ્ટ' કરી લેવું, એવી સમજણ તો આ લોકોમાં નથી.

પ્રશ્નકર્તા : વાળી લેતાં ય નથી આવડતું.

દાદાશ્રી : ના, પણ સમજણ જ પડતી નથી ત્યાં વાળી શી રીતે લે ? પછી ટાઇમ એનો નિકાલ કરી આપે. છેવટે ટાઇમ તો દરેક વસ્તુને ખલાસ કરી નાખે.

કકળાટ વગર ચાલે - ન ચાલે !

કોઈ દહાડો ઘરમાં ક્લેશ થાય છે ? તમને કેમ લાગે છે, ઘરમાં ક્લેશ થાય તે ગમે ?

પ્રશ્નકર્તા : કકળાટ વગર તો ચાલે નહીં દુનિયા !

દાદાશ્રી : તો પછી ભગવાન તો રહે જ નહીં ત્યાં આગળ. જ્યાં ક્લેશ છે ત્યાં ભગવાન ના રહે.

પ્રશ્નકર્તા : એ તો પણ કોઈ કોઈક વાર તો થવો જોઈએ ને એવો, કકળાટ !

દાદાશ્રી : ના, એ કકળાટ હોવો જ ના જોઈએ. કકળાટ કેમ હોય માણસને ત્યાં ? કકળાટ શેને માટે હોય ? અને ક્લેશ હોય તો ફાવે ? તમને કેટલા મહિના ફાવે, ક્લેશ હોય તો ?

પ્રશ્નકર્તા : બિલકુલ નહીં.

દાદાશ્રી : મહિનો ય ના ફાવે, નહીં ?

ક્લેશ ઘટે તો ધર્મમાં આગળ વધે !

હવે એક જણ કહે છે, મારે રોજ ઘરમાં કકળાટ થઈ જાય. તે મારો કકળાટ મીટાવી આપો. મેં કહ્યું, 'તારો કકળાટ શી રીતે થાય ને શેમાં થતો હશે એ મને શું ખબર પડે ? શી રીતે તને મટાડી આપું ?' ત્યારે કહે, 'રોજ સામસામી કકળાટ થયા કરે. વધી જાય છે. પછી મતભેદ બહુ પડી જાય છે.' ઘરમાં ક્લેશ ના રહેવો જોઈએ. ઘરમાં ક્લેશ રહેને ત્યાં સુધી સંસાર જ કામનો નહીં.

મુખ્ય વસ્તુ જ એ છે. ક્લેશ જાય તો ધર્મમાં આગળ વધાય અને આત્મજ્ઞાન તો હજુ બધું બહુ આગળ લાંબી વાત રહી. ક્લેશ પહેલાં જવો જ જોઈએ. કોઈને ઘેર ક્લેશ ગયેલો નહીં. સાધુ-સંન્યાસીઓ બધાંય ને ! મોટામાં મોટી વસ્તુ ક્લેશ જવો તે. નર્યું ક્લેશમાં જ જીવે છે બિચારાં. મોઢાં ઉપર દિવેલ ચોપડી ફરતા હોય એવું લાગે પછી.

ક્લેશ મિટાવી દેવો ઝટપટ !

તમારે કોઈ દહાડો મતભેદ થાય છે ?

પ્રશ્નકર્તા : મતભેદ તો, ઘરમાં રહેવાનાં. દરેકના વિચારો સરખા ન હોયને !

દાદાશ્રી : હા, એવાં મતભેદનો વાંધો નથી. પણ મતભેદમાંથી ક્લેશ ઊભા થાય તેનો વાંધો છે. એટલે આપણે મતભેદનું નામ લઈએ છીએ ને ! એવો મતભેદ તો હોય, સ્વભાવિક રીતે. આ કહેશે, ખોટું થયું. ત્યારે પેલા કહેશે, ના, નથી ખોટું ! પણ એમાંથી ક્લેશ ન થવો જોઈએ. ગમે તે રસ્તે ક્લેશને હાંકી મેલજો બહાર. મતભેદને પછી મિટાવી દેવો. મતભેદ થઈ ગયો હોય વખતે, તો પછી આપણે એવો કંઈક રસ્તો કરીને મટાડી દેવો ઝટ.

પ્રશ્નકર્તા : એ કઈ રીતે જરા કહો. જરા સમજાવો ને વધારે ક્લીયર કે મતભેદ પડ્યો ક્યારે કહેવાય ? પછી કઈ રીતે આપણે એને ટાળી દેવો ?

દાદાશ્રી : આપણે જેની જોડે રહીએ તેની પ્રકૃતિ ના ઓળખવી જોઈએ ?

પ્રશ્નકર્તા : એ નથી ઓળખાતી.

દાદાશ્રી : અરે, ના શું ઓળખાય ! આપણે પ્રયત્ન કરીએ તો ના ઓળખાય ?!

પ્રશ્નકર્તા : દસ વર્ષ થયા પણ હજુ નથી ઓળખાઈ.

દાદાશ્રી : એમ ! આ જ્ઞાન લીધા પછી ઓળખવા માટે પ્રયત્ન કરજો, ઓળખાશે. એ તો જેમ જેમ દ્રષ્ટિ વધશે તેમ ઓળખાશે.

ટકરામણ એ જ ક્લેશ !

પ્રશ્નકર્તા : પણ ક્લેશ કોને કહેવાય ?

દાદાશ્રી : ઓહો... આમ ઘરના જોડે, બહારવાળા જોડે, વાઈફ જોડે ટકરાય એ ક્લેશ કહેવાય. મન ટકરાય અને પછી થોડો વખત છેટો રહે, એનું નામ ક્લેશ. બે-ત્રણ કલાક ટકરાય ને તરત ભેગો થાય તો વાંધો નહીં. પણ ટકરાય ને છેટો રહે એટલે ક્લેશ કહેવાય. બાર કલાક છેટો રહે તો આખી રાત ક્લેશમાં જાય. ટકરાયેલો ના હોય ?

પ્રશ્નકર્તા : મનનો ક્લેશ પોતાનો હોય, તો બહાર ક્યાં જોવા જવાનું ?

દાદાશ્રી : એ પોતાનો તો હોય જ દરેકને, પણ બહારનાં ટકરાય ને ! ટકરાયા વગર રહે નહીંને ! ટકરાયેલું જોયેલું નહીં ?

પ્રશ્નકર્તા : એવું કો'ક વાર તો થાયને !

દાદાશ્રી : આમ શોખ ખરો ?

પ્રશ્નકર્તા : શોખ નહીં. શોખ તો કોઈને ના હોયને !

દાદાશ્રી : અરે, કેટલાંકને તો શોખ હોય છે. એના વગર ચાલે નહીં એમને. એમને શોખ હોય.

પ્રશ્નકર્તા : એ તો થઈ જાય તો પાણી રેડી દઈએ પાછા.

દાદાશ્રી : હા, પાણી રેડી દોને ! બપોરે ધણીને ખોટું લાગ્યું હોય, તો સાંજે ફર્સ્ટ ક્લાસ રસોઈ કરી જમાડે એટલે ખુશ થઈ જાય.

કળા જીવન જીવવાની !

ખાવાનું સારું સારું, સોનાની જણસો પહેરવાની અને પાછો કકળાટ કરવાનો. એટલે જીવન જીવતા આવડતું નથી, તેનો આ કકળાટ છે. જીવન જીવવાની કળા જાણતા નથી. એનો આ કકળાટ છે. આપણે તો કળા શેમાં જાણીએ છીએ કે શી રીતે ડૉલર મળે ! એમાં જ વિચાર વિચાર કરીએ, પણ જીવન જીવવામાં વિચાર નથી કર્યો. ના વિચારવું જોઈએ ?

પ્રશ્નકર્તા : વિચારવું જોઈએ. પણ બધાની રીત જુદી જુદી હોય છે.

દાદાશ્રી : ના, એ બધાની રીત જુદી જુદી ના હોય, એક જ જાતની. ડૉલર, ડૉલર. અને જ્યારે હાથમાં આવે ત્યારે હજાર ડૉલર ત્યાં આગળ સ્ટોરમાં જઈને આપી આવે પાછો. પછી ઘેર લાવીને વસાવે. પછી અહીં શું એને કંઈએ વસાવ્યું અને જોજો કરવાનું હોય ? પાછું જૂનું થઈ જાય, પાછું બીજું લઈ આવે. આખો દહાડો ગડભાંજ, ગડભાંજ, દુઃખ, દુઃખ ને દુઃખ, ત્રાસ, ત્રાસ ને ત્રાસ. અલ્યા બળ્યું, આ કેમ જીવન જીવાય તે ! મનુષ્યપણું શોભે તે આવું ? ક્લેશ ના થવો જોઈએ, કંકાસ ના થવો જોઈએ. કશું થવું ના જોઈએ.

કેવી ભયંકર ભૂલ !

પ્રશ્નકર્તા : ક્લેશ થવાનું મૂળ કારણ શું ?

દાદાશ્રી : ભયંકર અજ્ઞાનતા ! એને સંસારમાં જીવતાં નથી આવડતું. દીકરાનો બાપ થતાં નથી આવડતું, વહુનો ધણી થતાં નથી આવડતું. જીવન જીવવાની કળા જ આવડતી નથી ! આ તો છતે સુખે સુખ ભોગવી શકતાં નથી.

પ્રશ્નકર્તા : પણ કંકાસ ઊભો થવાનું કારણ સ્વભાવ ના મળે તેથી ?

દાદાશ્રી : અજ્ઞાનતા છે તેથી. સંસાર તેનું નામ તે કોઈ કોઈના સ્વભાવ મળે જ નહીં ! આ 'જ્ઞાન' મળે તો તેને એક જ રસ્તો છે, 'એડજસ્ટ એવરીવ્હેર !'

સમજણથી જીવન ક્લેશ વિનાનું !

પ્રશ્નકર્તા : ક્લેશ વગરનું જીવન કેવી રીતે થાય ?

દાદાશ્રી : એ તો અમે સમજ પાડીએ, અમારી પાસે સત્સંગમાં બેસો, તો તમને ક્લેશ જતો રહે એવું બધું સમજ પાડીએ. આ અંધાધૂંધીથી ક્લેશ ઊભો થયો છે. અણસમજણથી આ બધાં દુઃખો છે. બાકી દુઃખો બિલકુલે ય નથી અમેરિકામાં આવ્યા પછી, તો ય દુઃખો બધા ઇન્વાઇટ કરેલાં છે !

ક્લેશનું કારણ ઘોર અજ્ઞાનતા !

વાઈફના હાથે છે તે પંદર-વીસ આવડી આવડી કાચની ડિશો હતી તે અને ગ્લાસવેર હતા, તે પડી ગયાં. તે વખતે તમને કશી અસર થાય ખરી ?

પ્રશ્નકર્તા : મને ના થાય.

દાદાશ્રી : શું થાય ! આનંદ થાય ?

પ્રશ્નકર્તા : તૂટી જાય તો બીજા લેવાય.

દાદાશ્રી : ના પણ, આનંદ થાય તે ઘડીએ કે દુઃખ થાય ?

પ્રશ્નકર્તા : સાફ કરવું પડે એનું દુઃખ તો થાય.

દાદાશ્રી : તો દુઃખ થાય એટલે કશું બબડ્યા વગર રહો નહીંને, આ રેડિયો વગાડ્યા વગર રહે જ નહીં. દુઃખ થયું કે રેડિયો બોલે, એટલે પેલીને દુઃખ થાય પછી. ત્યાર પછી પેલી ય શું કહે, હં... તમારા હાથે કંઈ ફૂટવાનું થતું નહીં હોય પછી. આ સમજવાની વાત છે કે ડિશો પડી જાય છેને ? એને આપણે કહીએ કે તું ફોડી નાખ તો ના ફોડે. ફોડે ખરી ? એ કોણ ફોડતું હશે ? આ વર્લ્ડમાં કોઈ માણસ એક પણ ડિશ ફોડી શકવાની શક્તિ ધરાવતો નથી. આ તો બધો હિસાબ ચૂકવાય છે. એ તૂટી જાય, એટલે આપણે કહેવું કે વાગ્યું નથીને તને. શું કહેવાનું ? કાચ વાગ્યા નથીને, એવું કહેવાનું ?

પ્રશ્નકર્તા : તું સૂઈ જા, હું સાફ કરી આપીશ.

દાદાશ્રી : હા, આ તો કઢી ઢળી ગઈ, સાણસી છટકી અને જો ઓવરટર્ન થઈ જાય, તો કહેશે, 'તારામાં અક્કલ નથી'. આ અક્કલનો કોથળો મોટો, વેચવા જઈએ તો ચાર આના આવે નહીં. આવું ના કહેવાય. એ સ્ત્રી છે તે કોઈ દહાડો આપણે જમવા આવીએ તો એ કઢી ઢોળતી હશે ? એ કંઈ કપ-રકાબીઓ ભાંગી નાખે ? નોકરને હઉ ના વઢાય. આ બધું અજ્ઞાનતા છે, ઘોર અજ્ઞાનતા ! કશું ભાન જ નથી માણસ તરીકે જીવવાનું, કકળાટ કરવા જેવું છે જ નહીં આ જગત અને જે કકળાટ છે તે અણસમજણ ને અજ્ઞાનતાને લઈને છે. આ સમજવા જેવી વાત છે. અમે કહીએ છે તે, હં !

પ્રશ્નકર્તા : હા, આપણે જાણીએ છીએ કે કકળાટ ના કરવો જોઈએ.

દાદાશ્રી : એમ માનો કે એક કબાટમાં બધું ગ્લાસવેર મૂક્યું છે અને એકદમ એવું કંઈક વાગ્યું અને બધું પડ્યું. હવે ત્યાં કકળાટ કરી મેલીએ, તે હન્ડ્રેડ પરસેન્ટ રોંગ છે, કકળાટ કરનારો ગુનેગાર છે ત્યાં આગળ. એને છ મહિનાની જેલ આપવી જોઈએ. ઉલટું એણે એમ કહેવું જોઈએ કે તને કાચ વાગ્યો નથી ને ! એવું પૂછવું જોઈએ, તેને બદલે આપણે એની જોડે પાછું તોડી પાડીએ ! ને વાસણ તો બીજા લઈ આવીશું, જાણી જોઈને ભાંગે ખરી એ ! અરે, કો'કે ભાંગ્યું હોયને તો આવડી આવડી દે ! તો એ ભાંગે ખરી ? આપણાં કરતાં વધારે કાળજી એને હોય, પુરુષ તો મોટા મનના હોય. હવે ત્યાં આપણે ભૂલ નહીં કરતા ?

પ્રશ્નકર્તા : કરીએ છીએ.

દાદાશ્રી : એટલે આ આખો દહાડો જે કકળાટ છેને તે ખોટો વિખવાદ છે, કંઈ અર્થ વગરનો છે, સમજણ વગરનો છે. કારણ કે બની ગયું એમાં કોઈ ઉપાય જ નથી અને જેનો ઉપાય ના હોય તેને માટે કકળાટ કરે એ ગુનેગાર કહેવાય છે. એ કાચ ભાંગી ગયા તે ફરી પાછાં આવે, આપણે કકળાટ કરીએ તો ? ઘર છે તે ફેમિલી મેમ્બર થઈ જાય તો બહુ સારું કહેવાય. ઘરમાં કકળાટ ના થવો જોઈએ. આપણાં કરતાં સ્ત્રી વધારે સારી રીતે ઘરને સાચવવા ફરે છે ઉલટી.

પ્રશ્નકર્તા : સાચી વાત છે.

ક્લેશ આગળ કઈ ચીજ કિંમતી ?

જો સોફાને લીધે ઝઘડો થતો હોય તો સોફાને નાખી દો બહાર. એ સોફો તો બસો કે ત્રણસો રૂપિયાનો હોય, મૂઆ એનો ઝઘડો થતો હશે ? જેણે ફાડ્યો તેની પર દ્વેષ આવે. અલ્યા મૂઆ, નાખી આવ. જે વસ્તુ ઘરમાં વઢવાડ લાવેને, એ વસ્તુ બહાર નાખી આવ.

જે ઘરમાં ક્લેશ નહીં, ત્યાં ભગવાન હાજર હોય. આ ફોટામાં નથી ભગવાન, પણ જ્યાં ક્લેશ નથી ત્યાં હાજર હોય. ત્યારે આ સોફા હારુ ક્લેશ કરવો આપણે હવે ? નાખી આવો બહાર.

આ ડિશો ભાંગી નાખે છે ? તે મેં વાત કરી, તે એની બુદ્ધિ શું કહે છે, ના કહે છે. મનાય નહીં?

પ્રશ્નકર્તા : મનાય ને !

દાદાશ્રી : જેટલું મનાય એટલે શ્રદ્ધા બેસે. એટલું એ ફળ આપે, હેલ્પ કરે. શ્રદ્ધા ના બેસે તે હેલ્પ ના કરે. એટલે સમજીને ચાલો તો આપણું જીવન સુખી થાય અને એનું એ ય સુખી થાય. અરે કેવાં કેવાં ભજિયાં ને જલેબી નહીં કરી આપતાં ?!

પ્રશ્નકર્તા : કરી આપે છે.

દાદાશ્રી : હા, તો પછી ? એનો ઉપકાર ના માનીએ, કારણ કે એ પાર્ટનર છે, એમાં એનો ઉપકાર શો ? એમાં આપણે પૈસા લાવીએ એવું આપણને એ આ કરી આપે. આમાં બેઉ પાર્ટનરશીપ ચાલે છે. છોકરાં ય પાર્ટનરશીપમાં કંઈ એની એકલીનાં ઓછાં છે ?! સુવાવડ એણે કરી છે માટે એની એકલીના છે ? આપણા બેઉના હોય છોકરાંઓ. બન્નેનાં કે એકલીનાં ?

પ્રશ્નકર્તા : બેઉનાં.

દાદાશ્રી : હં. સુવાવડ કંઈ પુરુષ કરવાના હતા ? એટલે સમજવા જેવું છે આ જગત ! કેટલીક બાબતમાં સમજવા જેવું છે અને તે જ્ઞાની પુરુષ સમજણ પાડે, એમને કશું લેવા-દેવા ના હોય, એટલે એ સમજણ પાડે કે આ ભઈ આપણા હિતનું, તો ઘેર કકળાટ ઓછો થાય, તોડફોડ ઓછી થાય.

વાત માનો દાદાશ્રીની !

ભાન જ નથી આ તો ! ખાય છે, પીવે છે, તે ય ભાન નથી. આ ભાન વધારવાની જરૂર છે આપણે. આ તો ભાન અહંકારમાં જ બધું પેસી ગયું છે. હું આમ છું ને તેમ છું એવું નહીં આપણે, મારે બધું જાણવાનું બહુ બાકી છે એવું સમજાવું જોઈએ. જ્ઞાનને માટે ખુલ્લું રાખવું જોઈએ. ઘડા ઉપર ઢાંકણું ઢાંકી દઈએ પછી કોણ પાણી રેડે ? તમને ગમી વાત ? કઈ વાત ગમી તમને, કહો ?

પ્રશ્નકર્તા : ઘડા પર ઢાંકણું ન ઢાંકવું જોઈએ એમ. એ વાત ગમી.

દાદાશ્રી : બેનોએ પણ ક્લેશ ના કરવો જોઈએ ને પુરુષો ય બેઉ એક દહાડો સંપી લેવું જોઈએ, કે આ દાદાજી કહે છે એ આપણે કોન્ટ્રાક્ટ નવેસરથી કરી લો. ક્યાંય ભાંજગડ નહીં. એ અકળાય તો તમારે શાંત થઈ જવાનું ને બેસી રહેવાનું. અને પછી અકળામણ ઠંડી થવા આવે તે ઘડીએ ચા લઈને આવવાનું.

પ્રશ્નકર્તા : પણ દાદા કોન્ટ્રેક્ટ કર્યો હોય ને બેસી રહેવું હોય ને બેસે નહીં તેનું શું ? શાંત ના રહેવાય ને ઝઘડી પડાય તો શું કરવું ?

દાદાશ્રી : ઝઘડી પડાય તો ય આપણે એમને કહેવું કે આ બે પૂતળાં ઝઘડે છે. આ તમને જ્ઞાન હોય એટલે બે પૂતળાં ઝઘડે છે એ જુઓ આપણે, એની ફિલમ જોઈ લો.

ક્લેશનો કરી દે કંકાસ !

ઘરમાં મતભેદ રહે નહીં એટલું કરી દો. ખાવ-પીવો, મજા કરો પણ ક્લેશ ના હોવો જોઈએ, કંકાસ ના હોવો જોઈએ. તમે કંકાસ જોયેલો ?

પ્રશ્નકર્તા : હં. આ કંકાસની વાત કરી તે પુરુષમાં વધારે છે કે સ્ત્રીમાં વધારે છે ?

દાદાશ્રી : એ તો સ્ત્રીમાં વધારે હોય, કંકાસ.

પ્રશ્નકર્તા : એનું કારણ શું ?

દાદાશ્રી : એવું છેને, કો'ક ફેરો ભાંજગડ થઈ જાય ત્યારે ક્લેશ થઈ જાય. ક્લેશ થવો એટલે શું, ઝટ સળગીને ઓલવાઈ જવું. તે આ પુરુષ ને સ્ત્રી વચ્ચે ક્લેશ થઈ ગયો. પછી પુરુષ છે તે છોડી દે તો ય પેલી એને છોડે નહીં એ પાછું કંકાસમાં થઈ ગયું. એ પુરુષો છોડી દે પણ આ સ્ત્રીઓ છોડે નહીં પાછી અને ક્લેશનો કરી દે કંકાસ. અને તે મોઢું ચઢાવીને ફર્યા કરે. જાણે આપણે એને ત્રણ દા'ડા ભૂખી રાખી હોય એવું કર્યા કરે.

પ્રશ્નકર્તા : દાદા, એટલે જ અમે છેને ચેકબુક જ આપીએ કે એ લોકોને જે જોઈએ તે પોતે જ લઈ લે.

દાદાશ્રી : એથી કંઈ દા'ડો વળે નહીં. એ એમ દા'ડો વળતો હશે ! આપણે આ પાંચ હજાર રૂપિયાનો ઘોડો હોય, પણ કંઈ લગામ છોડી દેવાથી સારું થાય ? અને તમે તો લગામ છોડી દેવા જેવી વાત કરો છો. લગામ છોડી દેવાથી ફાયદો થાય, ઘોડો હોય એને ?

પ્રશ્નકર્તા : ના, ફાયદો ન થાય.

દાદાશ્રી : હં, એની લગામ તો આપણે હાથમાં રાખવી અને એના હોઠ ન ખેંચાય એવી લગામ આપણે પકડી રાખવી, ઘોડાને.

પ્રશ્નકર્તા : ચેકબુક પણ ન આપવી હવે ?

દાદાશ્રી : હવે તો એ ય કમાઈ લાવે છે પાછાં જોડે જોડેને ! એવું ના આપવી આપણાથી કેમ કહેવાય તે ?!

પ્રશ્નકર્તા : તો પછી આ કંકાસ દૂર કરવા માટે શું કરવું ?

દાદાશ્રી : કંકાસ તો, આપણે ક્લેશ ના કરવો એટલે કંકાસ નહીં થાય. મૂળ સળગાવીએ છીએ આપણે જ ક્લેશ કરીને, આજ ખાવાનું ભાવતું નથી, આજ મોઢું બગડી ગયું મારું તો, આમ તેમ કરીને ક્લેશ ઊભો કરો અને પછી એ કંકાસ કરે.

જે ઘેર ન ક્લેશ તેને નમસ્કાર !

આખી જિંદગી બેઉ કકળાટ કરતાં હોય, તે બેઉ નરકે જાય.

પ્રશ્નકર્તા : બેમાંથી એક જ્ઞાન પામેલું હોય તો ?

દાદાશ્રી : એ તો ચેતી જાય. પેલો ભમરડો પછી નરમ પડી જાય. સામું, 'રીએક્શન' ના આવેને, પછી નરમ પડી જાય. એટલે એનું ય કલ્યાણ થાય. પણ બેઉ કકળાટ જ માંડતાં હોય તો કલ્યાણ ક્યારેય ના થાય.

પ્રશ્નકર્તા : તેથી કૃપાળુદેવે લખ્યુંને, જે ઘરમાં એક દિવસ પણ ક્લેશ ના હોય એને અમારા નમસ્કાર.

દાદાશ્રી : હા, નમસ્કાર.

પ્રશ્નકર્તા : જેણે જ્ઞાન ના લીધું હોય, એને ત્યાં પણ ક્લેશ ના થતો હોય, એ શું કહેવાય ?

દાદાશ્રી : એને દેવ જેવું કહેવાય, પણ એ શક્ય નથી આ કાળમાં ! કારણ કે ક્લેશ છેને, તે ચેપી રોગની પેઠ અસર કરે છે. ચેપી રોગ હોયને, એવી રીતે અસર કરે છે. ઘેર ઘેર પેસી ગયો છે ક્લેશ !

પ્રશ્નકર્તા : જ્ઞાન ન લીધું હોય, તો એને ત્યાં જે ક્લેશનો અભાવ હોય અને અહીંયા જ્ઞાન લીધા પછી જે ક્લેશનો અભાવ થાય એ બેમાં ફેર શું ?

દાદાશ્રી : પેલો તો ક્લેશનો જે અભાવ હતોને, તે આપણે બુદ્ધિપૂર્વક કરતાં હતાં અને જ્ઞાન પછી આ સહજભાવે અભાવ રહે, પેલું કર્તાપણું છૂટી જાય.

પ્રશ્નકર્તા : એવું બને નહીં કે ક્લેશ વગરનું હોય જ નહીં કોઈ દહાડો !

દાદાશ્રી : હવે માનો કે એકાદ હોય, તો ય એ કર્તા હોય પોતે. ગોઠવણી કર્યા કરતાં હોય અને આખા ઘરમાં ચાર માણસ સારાં હોય ને એક જ જો કાબરીયું પેઠું તો એના ગોદાગોદથી બધાને ક્લેશ થઈ જાય પછી.

ક્લેશ રહિતનું જીવન એ જ ધર્મ !

જ્યાં ક્લેશ નથી ત્યાં યથાર્થ જૈન, યથાર્થ વૈષ્ણવ, યથાર્થ શૈવ ધર્મ છે. જ્યાં ધર્મની યથાર્થતા છે, ત્યાં ક્લેશ ના થાય. આ ઘેર ઘેર ક્લેશ થાય છે, તો એ ધર્મ ક્યાં ગયા ? સંસાર ચલાવવા માટે જે ધર્મ જોઈએ છે કે શું કરવાથી ક્લેશ ના થાય, એટલું જ જો આવડી જાય તો ય ધર્મ પામ્યા ગણાય. ક્લેશરહિત જીવન જીવવું એ જ ધર્મ છે. હિન્દુસ્તાનમાં અહીં સંસારમાં જ પોતાનું ઘર સ્વર્ગ થશે તો સ્વર્ગની નજીકનું તો થવું જોઈએને ? ક્લેશરહિત થવું જોઈએ. તેથી શાસ્ત્રકારોએ કહ્યું છે કે જ્યાં કિંચિત્માત્ર ક્લેશ છે ત્યાં ધર્મ નથી. જેલની અવસ્થા હોય ત્યાં 'ડિપ્રેશન' નહીં ને મહેલની અવસ્થા હોય ત્યાં 'એલિવેશન' નહીં, એવું હોવું જોઈએ. ક્લેશ વગરનું જીવન થયું એટલે મોક્ષની નજીક આવ્યો, તે આ ભવમાં સુખી થાય જ. મોક્ષ દરેકને જોઈએ છે. કારણ કે બંધન કોઈને ગમતું નથી. પણ ક્લેશરહિત થયો તો જાણવું કે હવે નજીકમાં આપણું સ્ટેશન છે મોક્ષનું.

અમે તો જ્ઞાન થયું, વીસ વર્ષથી તો ક્લેશ નથી જ. પણ એનાં વીસ વર્ષ પહેલાં ય ક્લેશ ન હતો, પહેલાંથી ક્લેશને તો અમે કાઢેલો જ. કોઈ પણ રસ્તે ક્લેશ કરવા જેવું નથી આ જગત.

ટકરાય, પૈસાનો પાવર !

પ્રશ્નકર્તા : અહીંયા અમેરિકામાં બૈરાંઓ પણ નોકરી કરેને એટલે જરાક વધારે પાવર આવી જાય સ્ત્રીઓને, એટલે હસબન્ડ-વાઈફને વધારે કચકચ થાય.

દાદાશ્રી : પાવર આવે તો સારું ઊલટું, આપણે તો એમ જાણવું કે ઓહોહો પાવર વગરના હતા, તે પાવર આવ્યો તે સારું થયું આપણે ! ગાડું સારું ચાલેને ? આ ગાડાના બળદ ઢીલાં હોય તો સારું કે પાવરવાળા ?

પ્રશ્નકર્તા : પણ ખોટો પાવર કરે ત્યારે ખરાબ ચાલેને ? પાવર સારો કરતાં હોય તો સારું.

દાદાશ્રી : એવું છેને, પાવરને માનનારો ના હોય, તો એનો પાવર ભીંતમાં વાગે. આમ રોફ મારતી ને તેમ રોફ મારતી પણ આપણા પેટમાં પાણી ના હાલે તો એનો પાવર બધો ભીંતમાં વાગે ને પછી એને વાગે પાછો.

પ્રશ્નકર્તા : તમારો કહેવાનો મતલબ એવો કે અમારે સાંભળવાનું નહીં બૈરાઓનું, એવું.

દાદાશ્રી : સાંભળો, બધું સારી રીતે સાંભળો, આપણા હિતની વાત હોય તો બધી સાંભળો અને પાવર જો અથડાતો હોય, તે ઘડીએ મૌન રહેવાનું. તે આપણે જોઈ લો કે કેટલું કેટલું પીધું છે ! પીધા પ્રમાણે પાવર વાપરે ને ?

પ્રશ્નકર્તા : બરાબર છે. એવી જ રીતે જ્યારે પુરુષો ખોટો પાવર કરતાં હોય ત્યારે.

દાદાશ્રી : ત્યારે આપણે જરા ધ્યાન રાખવું. હં... આજે વંઠ્યું છે એવું મનમાં કહેવું, કશું મોઢે ના કહેવું.

પ્રશ્નકર્તા : હં... નહીં તો વધારે વંઠે.

દાદાશ્રી : આજ વંઠ્યું છે, કહે છે... આવું ના હોવું જોઈએ. કેવું સુંદર... બે મિત્રો હોય તે આવું કરતા હશે ? તો મિત્રાચારી રહે ખરી, આવું કરે તો ? માટે આ બે મિત્રો જ કહેવાય, સ્ત્રી-પુરુષ એટલે એ મિત્રાચારીથી ઘર ચલાવવાનું છે. અને આવી દશા કરી નાંખી, આટલા હારુ છોડીઓ પૈણાવતા હશે લોકો ? ગ્રીનકાર્ડવાળાને ! આવું કરવાં હારુ ? તો પછી આ શોભે આપણને ? તમને કેમ લાગે છે ? ના શોભે આપણને ! સંસ્કારી કોને કહેવાય ? ઘરમાં ક્લેશ હોય તે સંસ્કારી કહેવાય કે ક્લેશ ના હોય તે?

પ્રશ્નકર્તા : ક્લેશ ના હોય તે !

દાદાશ્રી : ત્યાર પછી આવું ? આપણે સંસ્કારી.

કેમ કરીને કાઢવો ક્લેશ ?

એટલે બધા કોમન પ્રશ્નો પૂછો. લો, તમારા સંસાર વ્યવહારમાં ચાલુ પ્રશ્નો પૂછી લેજો. બીજું, 'આ' જ્ઞાન આપીશ ત્યારે બધું નીકળી જશે, પણ કોમન પૂછી લો. કોમનની બહુ ભાંજગડ ના થાય. ઘરમાં ક્લેશ ઊભો થાય એવો હોયને, તો ય એને કેમ કરીને ઉડાડી મેલવો, એ પૂછી લો !

પ્રશ્નકર્તા : ક્લેશ ના થાય, તેના માટે શું કરવાનું ? એનો રસ્તો શું ?

દાદાશ્રી : શેના માટે ક્લેશ થાય છે એ કહો મને, તો હું તમને તરત જે માટે થતો હોય તેની દવા બતાવી દઉં.

પ્રશ્નકર્તા : પૈસા માટે થાય છે, છોકરાઓ માટે થાય, બધા માટે થાય. નાની નાની બાબતમાં થઈ જાય.

દાદાશ્રી : પૈસા બાબતમાં શું થાય ?

પ્રશ્નકર્તા : પૈસા બચતાં નથીને, વપરાઈ જાય છે બધાં.

દાદાશ્રી : એમાં ધણીનો શો ગુનો ?

પ્રશ્નકર્તા : કશો ગુનો નહીં. એમાંથી ઝઘડો થઈ જાય, કોઈ કોઈ વાર.

દાદાશ્રી : એટલે ક્લેશ તો કરવો નહીં. બસો ડૉલર ખોઈ નાખે તો ય ક્લેશ ના કરવો. કારણ કે ક્લેશની કિંમત ચારસો હોય. બસો ડૉલર ખોવાઈ જાય છે એના કરતાં ડબલ કિંમતનો ક્લેશ થાય છે અને ચારસો ડૉલરનો ક્લેશ કરવો તેના કરતાં બસો ડૉલર ગયા એ ગયા. પછી ક્લેશ ના કરવો. પછી વધવું-ઘટવું એ તો પ્રારબ્ધને આધીન છે.

કકળાટ કરવાથી પૈસો વધે નહીં. એ તો પુણ્યૈ પાકે તો વારે ય ના લાગે, પૈસા વધવાને. એટલે જે જે બાબતોમાં થાય તે મને કહોને કે પૈસાની બાબતમાં થાય. તો પૈસા વધારે વપરાઈ જતા હોય તો કચકચ નહીં કરવી. કારણ કે છેવટે વપરાઈ ગયા એ તો ગયા, પણ ક્લેશ કરીએને તે પચાસ રૂપિયા વધારે વપરાયા તેને બદલે સો રૂપિયાનો ક્લેશ થઈ જાય. એટલે ક્લેશ તો કરવો જ ના જોઈએ.

ઘરમાં એક તો ક્લેશ ના થવો જોઈએ અને થતો હોય તો વાળી લેવો જોઈએ. જરા થાય એવું હોય, આપણને લાગે કે હમણાં ભડકો થશે તે પહેલાં જરાક પાણી નાખીને ટાઢું કરી દેવું. પહેલાંના જેવું ક્લેશવાળું જીવન જીવીએ એમાં શું ફાયદો ? એનો અર્થ જ શું ? ક્લેશવાળું જીવન ના હોવું જોઈએને ? શું વહેંચીને લઈ જવાનું છે ? ઘરમાં ભેગું ખાવું-પીવું ને કકળાટ શા કામનો ? અને કો'ક ધણીનું કશું બોલે તો રીસ ચઢે કે મારા ધણીને આવું બોલે છે અને પોતે ધણીને કહે, તમે આવાં છો ને તેવાં છો. એવું બધું ના હોવું જોઈએ. ધણીએ ય આવું ના કરવું જોઈએ. તમારો ક્લેશ હોયને, તો છોકરાના જીવન પર અસર પડે. કુમળાં છોકરાં, એની પર અસર થાય બધી. એટલે ક્લેશ જવો જોઈએ. ક્લેશ જાય ત્યારે ઘરનાં છોકરાં ય સારા થાય. આ તો છોકરાં બધાં બગડી ગયાં છે !

ક્લેશ થવો તે ઉદયકર્મ કે અજ્ઞાન ?

પ્રશ્નકર્તા : ઉદયકર્મને આધિન હશે, કંકાસ થવાનું ?

દાદાશ્રી : ના, અજ્ઞાનથી ઊભો થાય છે, ક્લેશ ! ક્લેશ ઊભો થાયને, તે બધા નવાં કર્મબીજ પડે છે. ઉદયકર્મ ક્લેશવાળું હોતું નથી.

પ્રશ્નકર્તા : ઉદયકર્મ ક્લેશવાળું નથી હોતું ?

દાદાશ્રી : એ હોઈ શકે જ નહીંને ! અજ્ઞાનતાથી, પોતે અહીં કેમ વર્તવું એ જાણતો નથી એટલે ક્લેશ થઈ જાય છે. અત્યારે મારે અહીં ખાસ ફ્રેન્ડ હોય, તો ઓફ થઈ ગયા એવી ખબર અહીં આવીને મને આપે, એટલે તરત જ શું થયું, આ જ્ઞાનથી એનો નિવેડો આવી જાય. એટલે પછી ક્લેશ થવાનું કંઈ કારણ જ નહીંને ! આ તો અજ્ઞાનથી મૂંઝાય કે મારો ભાઈબંધ મરી ગયો ને બધું પછી ક્લેશ થઈ જાય. ક્લેશ એટલે અજ્ઞાનતા. અજ્ઞાનતાથી ક્લેશ બધો ઊભો રહ્યો છે. અજ્ઞાનતા જાય એટલે ક્લેશ દૂર થઈ જાય.

પ્રશ્નકર્તા : એટલે ક્લેશ ઉત્પન્ન થાય એ પહેલાં જ ઉદયકર્મને આપણે જોઈ લેવા જોઈએ.

દાદાશ્રી : જોઈ લેવાનો સવાલ નથી. મહીં છે તે આ શું છે એ જાણી લેવું જોઈએ. આ શું છે, હું કોણ, આ બધું શું છે, એ જાણી લેવું જોઈએ, સાધારણ રીતે. આપણે એક માટલી હોય, તે માટલી હોય તે છોકરો ફોડી નાખે, તો ય આપણને કોઈ ક્લેશ કરતું નથી ઘરમાં અને કાચનું આવડું વાસણ હોય તે બાબો ફોડી નાખે તો ? ધણી શું કહે બૈરીને, કે તું સાચવતી નથી આ બાબાને. તે મૂઆ, માટલીમાં કેમ ન બોલ્યો ? કારણ કે એ તો ડીવેલ્યુ હતી. એની કિંમત જ નથી. કિંમત ના હોય તો આપણે ક્લેશ નથી કરતા ને કિંમતવાળામાં જ ક્લેશ કરીએ છીએને ! વસ્તુ તો બે ય ઉદયકર્મને આધિન છે, ફૂટે છે તે. પણ જો આપણે માટલી પર ક્લેશ નથી કરતાં એનું શું કારણ ? એટલે ક્લેશ ઉદયકર્મને આધિન નથી, એ અજ્ઞાનતાને આધિન છે.

પ્રશ્નકર્તા : હા, અજ્ઞાનતાને આધિન છે ! પણ ક્લેશ થવો અથવા એવી કોઈ પ્રક્રિયા થવી એ માનસિક પ્રક્રિયા નથી ?

દાદાશ્રી : ક્લેશ એ માનસિક છે, પણ અજ્ઞાનને આધિન છે એટલે શું કે એક માણસને બે હજાર રૂપિયા ખોવાઈ જાય, તે એને માનસિક ચિંતા- ઉપાધિ થાય. તે બીજા માણસને ખોવાઈ જાય તો બીજો કહેશે, મારા કર્મના ઉદય હશે તે પ્રમાણે થયું હવે. તે આમ જ્ઞાન હોય, સમજણ હોય તો નિવેડો લાવે ! નહીં તો ક્લેશ પૂર્વજન્મનો કંઈ ઉદયકર્મનો ક્લેશ નથી હોતો. ક્લેશ તો અજ્ઞાનતાનું ફળ છે.

પ્રશ્નકર્તા : એક્ઝેક્ટલી, બન્નેના જાય છે બે હજાર તો પણ કષાય એકને નથી થતો.

દાદાશ્રી : કેટલાંક માણસોને બે હજાર જતાં રહે તો ય કશું અસર ના થાય એવું બને કે ન બને ? કેટલાંક માણસો બે હજાર જતાં રહે, તે ખૂબ અસર થાય, તેવું જાણો ? એટલે કોઈ દુઃખ ઉદયકર્મને આધિન હોતું નથી. દુઃખો એ આપણી અજ્ઞાનતાનું ફળ છે.

દુઃખનું મૂળ અજ્ઞાન !

કેટલાંક માણસને વીમો ના ઉતાર્યો હોય, છતાં એનું ગોડાઉન સળગે અને એ શાંત રહી શકે છે બહાર અને અંદર પણ શાંત રહી શકે છે. અને કેટલાંકને એવું, અંદરે ય દુઃખ ને બાહ્ય પણ દુઃખ દેખાડે. મૂળ અજ્ઞાનતા ને અણસમજણ ! એ તો સળગવાનું જ હતું. એમાં નવાઈ છે જ નહીં. માથા ફોડીને મરી જાય તો ય એમાં ફેરફાર થવાનો નથી.

પ્રશ્નકર્તા : કોઈ પણ વસ્તુના પરિણામને સારી રીતે લેવાની એ મનની ભૂમિકા ન ગણાય ?

દાદાશ્રી : પોઝિટિવ લેવું તે મનની ભૂમિકા. પણ તો ય જ્ઞાન હોય તો જ પોઝિટિવ લે, નહીં તો નેગેટીવ જ જુઓને ! આ જગત આખું દુઃખી છે. માછલા તરફડે એમ તરફડી રહ્યું છે, આ પોતાની મિલો હોવા છતાં ય ! માટે સમજવાની જરૂર છે.

જીવન જીવવાની કળા જાણવાની જરૂર છે. જીવન જીવવાની કળા તો હોય જ ને ! કંઈ બધાને મોક્ષ હોતો નથી. પણ જીવન જીવવાની કળા તો હોવી જોઈએ ને ! ભલે મોહ કરો પણ મોહ ઉપર જીવન જીવવાની કળા તો જાણો કે કઈ રીતે જીવન જીવવું. સુખને માટે ભટકે છેને, તો સુખ ક્લેશમાં હોય ખરું ? ક્લેશ તો ઉલટું સુખમાં ય દુઃખ લાવે છે. ભટકે છે સુખ માટે અને લાવે છે દુઃખ. જીવન જીવવાની કળા હોય તો ય દુઃખ ના લાવે. દુઃખ હોય ને, તો એને બહાર કાઢે.

ક્લેશ રહિત કરે જ્ઞાની !

ક્લેશથી કોઈ મુક્ત થાય નહીં જગતમાં. જ્ઞાની પુરુષ એકલા જ મુક્ત કરાવડાવે.

એ તમે આવડાં મોટા થયા ત્યારે ઉપાય ખોળી કાઢેલો નહીં ?

પ્રશ્નકર્તા : ના દાદા, હું સાચી વાત કરું છું.

દાદાશ્રી : મારી પાસે તો બધાં ય સાચી વાત કરે. પણ ક્લેશ કાઢવો પડે ને, એનો નિકાલ કરવો જ પડે ને !

પ્રશ્નકર્તા : હા, કાઢવો પડે.

દાદાશ્રી : હવે તમે વિચારીને કરજો ને ! અગર દાદા ભગવાનનું નામ લેજો. હું જ દાદા ભગવાનનું નામ લઈને કામ કરું છું ને બધું. દાદા ભગવાનનું નામ લેશો તો તરત જ તમારું ધાર્યું થઈ જશે, ક્લેશ ખલાસ થઈ જશે.

એ ના કરે તો તું ક્લેશ નહીં કરું ને !

પ્રશ્નકર્તા : તો હું નહીં કરું.

દાદાશ્રી : હા, ત્યારે બસ થયું. બસ બેઉ જણનું સમાધાન થઈ ગયું.

એજ્યુકેટેડ લોકો જ અત્યારે ઘેર ઝઘડો વધારે કરે છે ! એજ્યુકેટેડ કોનું નામ કહેવાય કે સવારથી સાંજ સુધી એના ઘરમાં સહેજ ક્લેશ ના હોય !

પ્રશ્નકર્તા : તો એવું ના થાય કે એક પાર્ટી સમજ્યા જ કરે અને એક છે તે ડોમિનેટ કર્યા કરે. એટલે વન વે જેવું ના થઈ જાય ?

દાદાશ્રી : ના, એવું ના થાય. બેઉ સમજી જાય. અને તે આપણે ધીમે રહીને વાતચીત કરીએ કે જો હું સમજી ગયો છું અને તમે હજુ પૂરેપૂરું સમજી નથી લીધેલું લાગતું, તો સમજી લો પૂરેપૂરું આપણે. ફરી આપણી ભાંજગડ ન થાય. અને દાદાજી કહેતા હતા એવું ક્લેશ ના થાય. ઘરમાં ક્લેશ નહીં ત્યાં ભગવાન અવશ્ય હોય જ, ભગવાન ત્યાંથી ખસે નહીં. કો'ક ફેરો એમ કરતાં સ્લિપ થઈ ગયું અને ક્લેશ થઈ ગયો તો બેઉ જણે બેસી અને ભગવાનના નામ પર પસ્તાવો કરવો કે ભઈ, હવે નહીં કરીએ. અમારાથી ભૂલચૂક થઈ. માટે તમે અહીંથી ઊઠશો નહીં હવે, જશો નહીં, કહીએ.

ક્લેશ વિનાના ઘર, દાદાના મહાત્માઓના!

એવું છે ને કે આ દુનિયામાં ક્લેશ અને કંકાસ એને લઈને આ દુનિયા ઊભી રહી છે. એ ક્લેશ ને કંકાસ બંધ થઈ જાય આપણા ઘરમાં તો પછી દુનિયાનો કંઈ નિવેડો આવી જાય. ક્લેશ-કંકાસ, તે આપણા ઘણાં મહાત્માઓને ઘેર તપાસ કરી, બધાને પૂછી આવ્યો ત્યારે કહે, અમારે ત્યાં ક્લેશ-કંકાસ હવે રહ્યો નથી. થોડો-ઘણો જરા સળગતા પહેલાં ઓલવી નાખીએ છીએ. તે કોઈને ખબર ના પડે કે થઈ ગયો.

એક મહિનામાં બે દહાડા જ ક્લેશ થાય તોય બહુ થઈ ગયું. ક્લેશ-કંકાસ દુનિયામાં હોવો ના જોઈએ. અમદાવાદમાં પૂછી જોઈએ તો કેટલાંય ઘરો નીકળશે, ક્લેશ-કંકાસ વગરનાં આપણા મહાત્માઓનાં !

કલુષિત વાણીના પ્રતિક્રમણ !

પ્રશ્નકર્તા : આપણી ઇચ્છા ના હોય છતાં ક્લેશ થઈ જાય, વાણી ખરાબ નીકળે તો શું કરવું?

દાદાશ્રી : જે કાર્ય પૂરું થવાનું થાય ત્યારે ઇચ્છા ના હોય તો ય કાર્ય થયા કરે. ત્યારે થયા પછી પશ્ચાત્તાપ-પ્રતિક્રમણ કરવું.

પ્રશ્નકર્તા : આપણે મનથી એમ ઈચ્છીએ કે આની જોડે નથી બોલવું, નથી કંઈ કજીયો કરવો, નથી ઝઘડવું અને છતાં ય કાંઈક એવું થાય છે કે, પાછું એ ઝઘડાઈ જ જવાય છે, બોલાઈ જ જવાય છે, ક્લેશ થઈ જાય છે. બધું જ થઈ જાય છે. ત્યારે શું કરું કે આ બધું અટકે ?

દાદાશ્રી : એ છેલ્લાં સ્ટેપ્સ પર છે. એ રસ્તો પૂરો થવા આવ્યો હોયને, ત્યારે આપણને ભાવ હોય નહીં છતાં ય ખોટું થાય. તો આપણે ત્યાં શું કરવાનું કે પશ્ચાત્તાપ લઈએ તો ભૂંસાઈ જાય, બસ. ખોટું થાય તો આટલો જ ઉપાય, બીજો કોઈ ઉપાય નથી. તે ય જ્યારે એ કાર્ય પૂરું થવાનું આવ્યું ત્યારે મહીં ખરાબ કરવાનો ભાવ હોય નહીં ને ખરાબ કાર્ય થાય. નહીં તો એ કાર્ય હજુ અધૂરું હોય, આપણને ઊંધું કરવાનો ભાવે ય થાય અને ઊંધું કાર્ય થાયે ય ખરું, બેઉ થાય. આ બધું કરવાનો ભાવ ન થાય અને ઊંધું થઈ જાય, તો આપણે જાણવું કે હવે આનો નક્કી છેડો-અંત આવવાનો થઈ ગયો. એના ઉપરથી અંત ખબર પડે. એટલે 'કમીંગ ઈવેન્ટસ કાસ્ટ ધેર શેડોઝ બીફોર' (બનવાનું હોય તેના પડઘા પડે પહેલેથી).

પ્રશ્નકર્તા : શુધ્ધાત્માનું લક્ષ બેઠા પછી નિરંતર પ્રતિક્રમણ ચાલુ જ હોય છે.

દાદાશ્રી : જે બોલો તેનું પ્રતિક્રમણ થાય એટલે તમારી જવાબદારી ના રહે ને ! કડક બોલવાનું પણ રાગ-દ્વેષ રહિત બોલવાનું. કડક બોલાઈ જાય તો તરત પ્રતિક્રમણ વિધિ કરી લેવાની.

જેને મનથી કોઈ પણ પ્રકારનો ક્લેશ થતો નથી, તેનો સંસાર આથમી ગયો !

ક્લેશ ભાંગે તે લોકપૂજ્ય !

પ્રશ્નકર્તા : આપણે ના કરવો હોય તો ય સામો આવીને ક્લેશ કરી જાય તો ?

દાદાશ્રી : હા. આનું નામ જ જગતને ! એટલે જ કહ્યું ને, કે એવી 'ગુફા' ખોળી કાઢ કે તેને કોઇએ જાણેલી ના હોય ને તને કોઇ ઓળખી જાય નહીં, એવી 'ગુફા' ખોળ. આ તો ગમે ત્યાંથી તને ખોળીને લોક ક્લેશ કરાવશે, નહીં તો રાતે બે મચ્છરાં આવીને ય ક્લેશ કરાવે ! જંપવા ના દે ! માટે મનુષ્યગતિમાં આવ્યા પછી અધોગતિમાં ના જવું હોય તો ક્લેશ ના થવા દઇશ. તારો ક્લેશ ભાંગ્યા પછી બીજાનો ક્લેશ ભાંગી આપે એટલે તું લોકપૂજ્ય પદમાં આવ્યો કહેવાય !

કલુષિત ભાવનો અભાવ !

કલુષિત ભાવ દહાડે દહાડે ઓછા ના થયા તો માનવતા જ ન રહે, પાશવતા રહે.

આ 'અક્રમ માર્ગ'માં તો કલુષિત ભાવ નીકળી જાય તેવો માર્ગ છે. કલુષિત ભાવ રહે જ નહીં, ખલાસ થઇ જાય તેવું છે. એટલે પોતાને તો ક્લેશ રહે નહીં પણ પોતાને લીધે સામાને પણ ક્લેશ ના થાય અને સામો ક્લેશવાળો આપણા અકલુષિત ભાવથી ઠંડો પડી જાય, આખો ભાવ જ ચેન્જ મારે ! આ 'મકાન' કોઇ દહાડો કલુષિત હોતું નથી. પણ પોતે કલુષિત ભાવવાળો એટલે પછી મકાન પણ કલુષિત દેખાય. પછી કહે કે આ 'રૂમ' મને ફાવતી નથી. પોતાના કલુષિત ભાવનો આમાં આરોપ કર્યો એટલે બધું બગડી જાય.

કલુષિત ભાવ નીકળી જાય તો પુદગલ પણ પૂજ્ય થાય એવું આ જગત છે ! પછી ગમે તે હો, મુસ્લિમ હો કે જૈન હો કે વૈષ્ણવ હો, જેના એ કલુષિત ભાવ નીકળી જાય તે લોકપૂજ્ય થાય ! આ ઓલિયા હોય છે તેમાં તો થોડાઘણા કલુષિત ભાવો નીકળી જાય છે. તેનાથી એ દર્શન કરવા જેવા લાગે છે. છતાં ઓલિયાને એ નેચરલી છે, વિકાસક્રમના રસ્તામાં આવતાં જ થઇ જાય છે. એમાં એનો પોતાનો પુરુષાર્થ હોતો નથી. પુરુષાર્થ તો 'જ્ઞાન' મળ્યા પછી જ થાય. ત્યાર પછી 'સ્વક્ષેત્ર'માં બેસે એટલે કલુષિત ભાવો ઓછા થઇ જાય. નહીં તો ત્યાં સુધી એક કલુષિત ભાવ ઓછો કરીએ તો બીજા ચાર પેસી જાય ! એમને પેસવા દે નહીં એવા ગાર્ડ ના હોય આપણી પાસે તો ત્યાં સુધી બધું જ લશ્કર પેસી જાય અને ગાર્ડ કયારે ભેગો થાય ? પુરુષ થાય ત્યારે. એટલે બધું લશ્કર પોતા પાસે સાબૂત હોય. ગાર્ડ ના હોય તો ચોર પેસી જાય તો પછી શો નફો થયો ?

કલુષિત ભાવનો અભાવ થયો એ જ મોક્ષ !

વ્યક્તિત્વ ખીલતું ખીલતું ખીલતું સંપૂર્ણ વ્યક્ત થાય છે એ પરમાત્મ દશા !

ક્લેશ વિનાનું પુદગલ પણ લોકપૂજ્ય !

આત્મા તો પોતે પરમાત્મા જ છે. એટલે પૂજ્ય છે, લોકપૂજ્ય છે પણ પુદગલ પણ લોકપૂજ્ય બની શકે એમ છે પણ કલુષિત ભાવ નીકળી જાય તો ! કલુષિત ભાવ પોતાનામાં રહ્યા ના હોય અને સામાના લીધે પોતાને કલુષિત ભાવ થાય નહીં તો પુદગલ પણ લોકપૂજ્ય થઇ જાય! સામાના કલુષિત ભાવમાં પણ પોતે કલુષિત ના થાય તો પુદગલ પણ લોકપૂજ્ય થઇ જાય. બીજા ભાવ ભલે રહ્યા પણ કલુષિત ભાવ ઉત્પન્ન ના થવો જોઇએ. પોતાને, સામાને, કોઇ જીવ માત્રને કલુષિત ભાવ ના કરે તો એ પૂજ્ય થઇ પડે. 'અમે' અમારામાં શું જોયું ? અમારામાં શું નીકળી ગયું ? આ અમારું પુદગલ શાને લીધે લોકપૂજ્ય થયું છે ? અમે 'પોતે' તો નિરંતર 'અમારા સ્વરૂપ'માં જ રહીએ છીએ પણ આ પુદગલમાંથી સર્વ કલુષિત ભાવો નીકળી ગયા છે ! એટલે આ પુદગલે ય લોકપૂજ્ય થઇ પડયું છે ! માત્ર કલુષિત ભાવ ગયા છે પછી ખાય છે, પીએ છે, કપડાં પહેરે છે. અરે ! ટેરિલીનનાં પણ કપડાં પહેરે છે ને છતાં ય લોકપૂજ્ય પદ છે ! એ ય આ કાળનું આશ્ચર્ય છે ને ! અસંયતિ પૂજા નામનું આ અગિયારમું આશ્ચર્ય છે !

- જય સચ્ચિદાનંદ.