કષાય ઘટાડે તે ધર્મ !

સંપાદકીય

સામાન્ય રીતે જગતના લોકો ધાર્મિક ક્રિયા કરનારાઓને ધર્મિષ્ઠ માણસ ગણે છે. રોજ મંત્રો બોલે છે, જાપ કરે છે, દેવ દર્શન કરે છે, એકાદશીઓ કરે છે, એકટાણાં કરે, ઉપવાસ કરે, રાત્રિભોજન ના કરે, કંદમૂળ ના ખાય, પૂજા-પાઠ કરે, ધ્યાન કરે, વ્યાખ્યાનોમાં નિયમિત સાંભળવા જાય, શાસ્ત્રોનો અભ્યાસ કરે, આવંુ કંઈ પણ કરે, તેને 'આ બહુ ધરમ કરે છે' એવંુ માને. પણ સાચો ધર્મ કર્યો કોને કહેવાય કે જેનંુ પરિણામ આવે. કોઈ અપમાન કરે ને સહેજ પણ અસર થાય છે, તો અત્યાર સુધી જે કંઈ ધર્મ કર્યો તેનંુ પરિણામ મળ્યંુ નહીં. ધર્મ કોને કહેવાય ? અપમાનકારક શબ્દો વાગે નહીં, ક્રોધ-માન-માયા-લોભ ઓછા થતાં જાય. વીતરાગો કષાયની મંદતાને ધર્મ કહે છે અને સંપૂર્ણ કષાયરહિતને મોક્ષ કહે છે.

એટલે કોઈ પણ ધર્મ કર્યો, તો તેનંુ કંઈ પ્રમાણ તો હોવંુ જોઈએ ને ? જેમ તાવ ચઢ્યો હોય તો થર્મોમિટર બતાવે કે તાવ ચઢ્યો છે કે ઉતર્યો, તેવંુ ધર્મ પચ્યો છે કે અપચો થયો તેનંુ થર્મોમીટર કયું ? ગજવંુ કપાય ને ઉપાધિ થઈ જાય, કપ-રકાબી ફૂટી જાય ને મહીં અજંપો થઈ જાય, અરે, નવા બૂટ ઊપડી ગયા કે આખો દહાડો મનમાં કે પછી લોકો પાસે 'બૂટ ગયાં' એની કાંણ માંડયા કરે, દિકરી મોટી થઈ, તેને પરણાવવાની ચિંતા રહ્યા કરે તો પછી આટલો બધો ધર્મ કર્યો, તેનંુ ફળ ગયંુ ક્યાં ? આટલા બધા મંદિરો કે દેરાસરના પગથિયા ઘસી નાખ્યા તો ય ખરી મુશ્કેલીમાં ધર્મ હાજર ના રહ્યો તો ભૂલ ક્યાં રહી છે ? આટલા શાસ્ત્રો વાંચ્યા પણ આખી જિંદગી આર્તધ્યાન-રૌદ્રધ્યાન થયા કરે તો ક્યાં ખોટ ખાધી ?

ખરેખર તો ક્રિયાઓ કરવાથી સાચો ધર્મ થતો નથી. સાચી સમજણ ને સાચું જ્ઞાન પ્રાપ્ત કરવાથી ક્રોધ-માન-માયા-લોભ પાતળા થાય ને છેલ્લે આત્મા જાણવાથી કષાયો નિર્મૂળ થાય. ખૂબ દવા કર્યા છતાં રોગ ના મટે તો ચેતવંુ ના જોઈએ ?

આ કાળની વિશેષતા છે કે મન-વચન-કાયાનો એકાત્મયોગ તૂટી ગયો છે. એટલે દેહ ધર્મની ક્રિયા કરે, ત્યારે મન પૈસાના કે વિષયોના વિચારોમાં પડેલું હોય તેથી ધર્મનો લાભ ઊડી ગયો. એટલે પરમ પૂજ્ય દાદાશ્રીએ આ કાળના જીવો માટે ધર્મનો નવો જ અભિગમ દેખાડ્યો.

કળિયુગમાં આચરણ ઊંધું થયા વગર રહેશે નહીં તો શંુ કરવંુ ? ખોટંુ કરવંુ નથી એવંુ રોજ નક્કી કરવંુ છતાં કંઈ પણ ખોટંુ થઈ ગયંુ તો હ્રદયપૂર્વક પસ્તાવા સાથે પ્રતિક્રમણ કરો કે ખોટંુ કર્યું તેની માફી માંગું છંુ ને ફરી આવંુ ખોટંુ નહીં કરંુ એવો દ્રઢ નિશ્ચય કરંુ છંુ તો ગુનાની જવાબદારીમાંથી છૂટતા જવાશે.

પ્રસ્તુત સંકલનમાં ધર્મ આચર્યાનંુ પરિણામ કેવંુ હોય અને તે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે, તેની તમામ કડીઓ દાદા ભગવાનની જ્ઞાનવાણીમાં અંકિત થઈ છે, જે સાધકને પ્રગતિના સોપાન સર કરાવશે !

દીપકના જય સચ્ચિદાનંદ

કષાય ઘટાડે તે ધર્મ !

ધર્મ પામ્યાનંુ પરિણામ...

દાદાશ્રી : હાલમાં શું કરો છો ?

પ્રશ્શનકર્તા : ધર્મના પુસ્તકોનો અને ધર્મનો અભ્યાસ કરું છું.

દાદાશ્રી : પુસ્તકો વાંચવા માત્રથી કામ ના થઇ જાય, ત્યાં તો કષાયરહિત થવું પડશે. 'ચંદુભાઈ'માં અક્કલ નથી એવું તમારા સાંભળવામાં આવે તો તમને વાગે કે ના વાગે ? અસર થાય એની ?

પ્રશ્શનકર્તા : થાય.

દાદાશ્રી : તો એ શબ્દ વાગ્યો તમને. જ્યાં સુધી શબ્દ વાગે છે ત્યાં સુધી કંઇ પણ ધર્મને પામ્યા નથી, એવું માનજો. પથરો વાગે તો તે બરાબર છે, તેની મલમપટ્ટી-દવા કરવી પડે. પણ આ શબ્દ વાગે છે, એ ધર્મનું ફળ ન્હોય ! ધર્મનું ફળ એનું નામ કે શબ્દ વાગે નહીં. આપણી પાસે કંઇક તો હોવું જોઇએને કે જે દેખાડે કે કેટલો તાવ ચઢ્યો ને કેટલો ઊતર્યો ? એવી આ પારાશીશી કહેવાય. શબ્દ વાગે છે હજુ ? ત્યારે કહે, 'સાહેબ, એ તો બહુ વાગે છે. છાતીએ ઘા વાગે.

પુસ્તક વાંચવા માત્રથી કામ ના થઈ જાય. ત્યાં તો કષાયરહિત થવંુ પડશે. ચંદુભાઈમાં અક્કલ નથી એમ કહ્યંુ ને તે કંઈ પથરો નથી કે વાગે પણ શબ્દ વાગે છે ત્યાં સુધી કોઈ ધર્મ પામ્યો જ નથી. પથરો વાગે તો આપણે કબૂલ કરીએ કે ભઈને મલમપટ્ટી કરો, કંઈ દવા કરો. પણ પથરો વાગ્યો નથી ને શબ્દો વાગે છે ત્યાં સુધી કશો ધર્મ પામ્યો જ નથી.

કષાય મંદ તે ધર્મ, કષાય ક્ષય તે મોક્ષ !

ધર્મ કોને કહેવાય ? પરિણામ પામે તે ધર્મ. જે ધર્મથી ક્રોધ-માન-માયા-લોભ, ઓછા થતાં થતાં નિર્મૂળ થઈ જાય તે ધર્મ.

સાચંુ જાણવાના કામી થાય તો જ્ઞાનગર્ભિત કહેવાય. આ તો બહુ દહાડા જાણ્યંુ. જાણી જાણીને તો ડખો થઈ ગયો. કષાય ઓછા થતા નથી અને ઊલટા વધતા જાય છે. ઘેર હતા ત્યારે ઓછા હતા. ઘરમાં પા શેર હતા, તે સાધુ થયા પછી દશ શેર થયા અને ઘૈડપણમાં તો પોણો મણ થયા કષાયો. જ્યાં કષાય છે ત્યાં આગળ ધર્મ કેમ કહેવાય ? આખો વીતરાગ ધર્મ શેને માને છે ? કષાયની મંદતાને ધર્મ કહે છે. મંદ કષાયને ધર્મ કહે છે. વીતરાગ અને સંપૂર્ણ કષાયરહિતને મોક્ષ કહે છે.

ગજવંુ કપાય ત્યારે...

તમારું ગજવું કપાય ને પાંચ હજાર રૂપિયા જાય તો તમને મહીં ઉપાધિ ઉપાધિ થઇ જાય. ફોજદારને કહો કે, 'સાહેબ, જુઓ અહીંથી કાપ્યું છે, અહીંથી કાપ્યું છે.' કારણ કે 'તમે' 'ચંદુલાલ' છો અને 'મારું' ગજવું કપાયું એવું માનો છો. અને આ ભઇ છે તે સીધા ઘેર જાય, કશું કોઇને દેખાડે-કરે નહીં. કારણ કે એ 'પ્રવીણભાઇ' જ નહીં ને ! ને ગજવું ય એમનું નહીં. એટલે એમને કશી ઉપાધિ જ ના રહે ને ! એનું નામ મુક્તિ. સંસાર અડે નહીં, એનું નામ મુક્તિ. અને તમને તો ઉપાધિ અડે ને ?

પ્રશ્શનકર્તા : એકદમ, ચારેકોરથી અડે.

દાદાશ્રી : આખી જિંદગી ધર્મ કર્યો, અરે, અનંત અવતારથી ધર્મ કર્યો પણ ધર્મ તમારો સગો ના થયો. એક ગજવું કપાય તે પહેલાં ધર્મ જતો રહે, એ ધર્મ જ ના કહેવાય.

પ્રશ્શનકર્તા : પણ એમણે સંશોધન કર્યું એનું કે મને કયું નડે છે ? તે એમણે એમનું પોતાનું જે માની લીધેલું તે જ એને નડતું'તું.

દાદાશ્રી : હા, બસ. આ સમજ બધી ખોટી નથી પણ સ્ટાન્ડર્ડવાઈઝ છે. કોલેજનો માલ ન્હોય આ બધો. સ્વતંત્ર કરે એ કોલેજનો માલ.

પ્યાલો કરાવે અજંપો !

આ તો પ્યાલા ફૂટી જાય ઘરમાં, દસ પ્યાલા, અને અજંપો થાય. તો મૂઆ કયા ગુરુને ઘેર ગયો તું ? પ્યાલા ફૂટી જાય તો ય તારો અજંપો જતો નથી એવું તે શું ? તેં જાણ્યું શું તે ? આ તો અજ્ઞાન જાડું કર્યું. અજ્ઞાનીનાં સંગમાં પડ્યો, તે અજ્ઞાન પાતળું હતું તે જાડું થયું. તે કપ ફૂટ્યા કે તરત એને ખ્યાલમાં આવી જાય, કે આ તો બહુ પંદર-વીસ રૂપિયાનું નુકસાન થયું. પછી રો-કકળાટ ચાલુ. અજ્ઞાન જાડું થયું. આદિવાસીઓને ફૂટી જાયને, તો અજ્ઞાન પાતળું, એટલે કશુંય નહીં ને આ જાડું અજ્ઞાન.

એક મોટા શેઠિયાઓને ત્યાં એક ફેરો ગયેલો. તે માજી છે તે સામાયિક કરતાં'તાં. ત્યારે હું બેઠેલો, ત્યારે મને કહે છે, ઝીણી વાત તમારી મને સાંભળવાની બહુ ગમે છે. તે ઝીણી કરું વાતો એમને. પછી એ સામાયિક કરતાં કરતાં જોડેની રૂમમાં પ્યાલો ખનનન...... દઈને ખખડ્યો. તે માજી કહે છે, 'એ શું ફૂટ્યું ?' મેં કહ્યું, 'તમારું કપાળ ફૂટ્યું'. સામાયિક કરવા બેઠાં ! મેલોને છાલ ! એક પ્યાલો ફૂટી જાય, તમારો આત્મા ફૂટી જાય, કઈ જાતનાં છો તમે ? કઢાપો-અજંપો થાય તો ગુરુ કર્યાનો અર્થ શો છે તે ? ને ગુરુને કહી દેવું કે સાહેબ, તમારો કઢાપો-અજંપો ગયો નથી, નહીં તો મારો કેમ ના જાય ? અને મારો જાય એવો હોય તો હું આવું ફરી, નહિ તો 'રામ, રામ' તમને જય સચ્ચિદાનંદ, કહીએ. આવી જાત જાતની દુકાનો ફરી અને અનંત અવતારથી ભટક્યો છે ને તે પુરાવારૂપે તો છીએ. એ તારી ખાતરી છેને ? પુરાવો છે કે નથી ? ચંદુભાઈ પુરાવો છે ? તો હવે કંઈ ખાલી કરવું પડશે કે નહીં ખાલી કરવું પડે ?

હવે એક મીલવાળા શેઠ હતા, તે એમના દોઢસો રૂપિયાના બૂટ હતાં ને, તે બધા જમવા ગયા રૂમમાં, તે કો'ક બૂટ પહેરીને લઈ ગયું. પછી શેઠને તો બહાર જવાનું થયું ત્યારે ના જડ્યા. પછી એ તો મનમાં તો થોડીવાર કાંણ થઈ. કાંણ ક્યારે કરાય ? એકનો એક જમાઈ હોય, નાની ઉંમરનો હોય, તે મરી ગયો હોય ત્યારે કાંણ થાય. તે આ બૂટની કાંણ કરી શેઠે. પછી બપોરે એમને ત્યાં બીજા કોઈ ઓળખાણવાળા હતા, તે કહે, 'વખત કેવો બગડી ગયો છે ? દોઢસો રૂપિયાના મારા બૂટ લઈ ગયો.' અલ્યા મૂઆ, ફરી કાંણ કરી પાછી ? કેટલો વખત કાંણ કરી છે આ બળી ? સાંજે ચાર જણને તે કહે. આવી કાંણો કર્યાં કરે. અલ્યા મૂઆ, આવી કાંણ કરવાની હોતી હશે ? કકળાટ કકળાટ કરે છે અને કહે છે, હું ધર્મ પાળું છું.

ચોગરદમથી અકળામણ...

હરેક મિનિટે હાજર રહે, તેનું નામ ધર્મ કહેવાય. ધર્મ રક્ષણ આપે, શાંતિ આપે, સમાધિ આપે, ચિંતા ના કરાવડાવે. ચિંતા થાય, એને ધર્મ ના કહેવાય. શેની ચિંતા કરો છો ? છોડી મોટી થઇ તેની ? અલ્યા, છોડી (છોકરી) મોટી થઇ તે એના શરીરથી મોટી થઇ, એમાં તારે શું છે એટલું બધું ? છોડી મોટી ના થાય ? આ છોડવો ય મોટો થાય, જેમ ઉંમર વધે તેમ ! આ તો છોડી મોટી થતી જાય તેમ તેમ મહીં અકળામણ થતી જાય છે. અને એક જણની છોડી હતી, તે મોટી જ થતી ન્હોતી ત્યારે કહે કે, ઠીંગણી છે ! તેથી અકળામણ થાય છે. આમ આવાં અકળામણવાળા લોક છે. આમને ક્યાં પહોંચી વળાય ? જો અકળામણ, અકળામણ ! જરા ડહાપણવાળી છોડી હોય તો કહેશે કે 'દોઢ ડાહી છે' ને જરા ઓછું ડહાપણ હોય તો કહેશે કે, 'ગાંડી છે.' ચોગરદમથી, આમનું ઠેકાણું જ નહીં ને !

ત્યાં હાજર રહે તે ધર્મ !

કોઇ અપમાન કરે ત્યારે તમારો ધર્મ જતો રહે કે ?

પ્રશ્શનકર્તા : હા, જતો રહે.

દાદાશ્રી : રોજ ભગવાનની પૂજા કર કર કરીએ તો ય જરાક કોઇએ અપમાન કર્યું તો તે જતો રહે કે ?

પ્રશ્શનકર્તા : અરે, સેવા-પૂજા કે માળા કરતા હોઇએ, તો ય કોઇ અપમાન કરે તો તે ઘડીએ ધર્મ જતો રહે છે, સાહેબ !

દાદાશ્રી : ધર્મ કોનું નામ કહેવાય કે પેલો ગાળ ભાંડે તે ઘડીએ ધર્મ આપણને મદદ કરે. આ તો ખાલી દોડધામ દોડધામ કરે છે. કેટલાય મંદિરો ને દેરાસરોનાં પગથિયાં ઘસી નાખ્યાં, આરસના પથરા યે ઘસાઇ જવા માંડ્યા પણ કશું કલ્યાણ થતું નથી. ધર્મ હાજર ના રહે એ ધર્મ જ ના કહેવાય. મેં પાંચ વખત તમારા ધક્કા ખાધા હોય તો તમે મારા ખરા ટાઇમે આવીને ઊભા રહો. અને આ તો ધર્મનું રોજ કરીએ પણ તે ખરે ટાઇમે ઊભો જ ના રહે, આવતાં પહેલાં નાસી જાય સડસડાટ, તેને ધર્મ કેમ કહેવાય ?

શાસ્ત્રો જાણ્યાં, આત્મા ન જાણ્યો !

રોજ ચોપડીઓ વાંચ વાંચ કરે છે, તે એટલી બધી વાંચી કે મગજ આખું ચોપડી સ્વરૂપ થઇ ગયું ! મગજ જ ચોપડી થઇ ગયું !! ભગવાને શું કહ્યું હતું કે આત્મા જાણ. તેને બદલે આ ચોપડી જ જાણ જાણ કરી. એને શું કરવાનું ? આટઆટલું આખી જિંદગી કર્યું પણ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થયા કરે છે. શું કરશો હવે ? બહુ છેતરાયા છો. આખી જિંદગી ક્રોધ- માન-માયા-લોભે લૂંટી લીધા ને કશું રહેવા દીધું નહીં. હવે ભીડ પડે ત્યારે શું કરશો ?

અનંત અવતારથી ધર્મ કરે પણ ધર્મ પરિણામ પામતો નથી અને અધર્મ વધતો ગયો. સહેજ કોઇ સળી કરે કે, 'ચંદુલાલમાં અક્કલ નથી.' તો તે પહેલાં આમ ભડકો જ થઇ જાય. સામાયિક કરતાં કે માળા ફેરવતાં ય કોઇ સળી કરે તો ય ભડકો થઇ જાય. થઇ જાય કે નહીં ?

પ્રશ્શનકર્તા : થઇ જાય.

દાદાશ્રી : આવું કેમ થઇ ગયું હશે, શેઠ ? સમતા રહે નહીં ને ? બાકી, ઉપાધિમાં સમતા રહે ત્યારે જાણવું કે મોક્ષનાં વાજાં વાગ્યાં.

પ્રશ્શનકર્તા : એ સમતા કેવી રીતે રહે ?

દાદાશ્રી : કેમ કેવી રીતે રહે ? જુઓ, આ ભાઇને સમતા રહે છે કે નથી રહેતી ? એમને પૂછો તો ખરા ? ઉપાધિમાં સમતા રહેવી જ જોઇએ, નહીં તો ધર્મ જ કેમ કહેવાય ? અત્યાર સુધી કર્યું એ ખરો ધર્મ જ ના કહેવાય.

ધર્મને સિન્સીયર કેટલા ?

ધર્મ તો તેનું નામ કે અપમાન કરે, ગજવું કપાય તો ય હાજર રહે. આ તો તમને ધર્મ મદદ નથી કરતો ને ?

પ્રશ્શનકર્તા : નથી કરતો.

દાદાશ્રી : માટે તમે ધર્મને 'સિન્સીયર' રહ્યા નથી. આ કળિયુગમાં ધર્મને કોઇ 'સિન્સીયર' રહેતો નથી. ભઇને 'સિન્સીયર' રહેતો નથી ને બઇને ય 'સિન્સીયર' રહેતો નથી, તો પછી ધર્મને 'સિન્સીયર' શી રીતે રહે ? લોકો ભગવાનનાં દર્શન રોજ ચાંદીની દાબડી લઇને કરવા જાય છે. ત્યારે મેં ભગવાનને કહ્યું કે, 'ભગવાન ! આટલા બધા રોજ દર્શન કરે છે છતાં તમે તેમના પર રાજી કેમ નથી થતા ?' ત્યારે ભગવાને કહ્યું કે, 'આ લોકો રોજ આવીને દર્શન તો કરે છે, પણ પાછાં તે ઘડીએ એમના જોડાને ય યાદ કર્યા કરે છે કે કોઇ લઇ જશે, લઇ જશે. અરે ! દુકાન હઉ જોડે યાદ કર્યા કરે ! હવે બોલો, આમાં મારો શો દોષ છે ? હું એમના પર શી રીતે રાજી થઉં ?' ત્યારે લોક મને પૂછે છે કે, 'તો અમારે દર્શન કઇ રીતે કરવાં ?' ત્યારે હું તેમને સમજ પાડું છું કે, 'દર્શન કરતી વખતે તમારે જોડાને એમ કહેવું કે 'દાદા ભગવાન'ની આજ્ઞાથી તને કહું છું કે તું વહેલી તકે જજે અને ના જવું હોય તો રહેજે એમ કરીને દર્શન કરવાં. દર્શન કરીને આવીએ ને જોઇએ કે જોડા ગયા તો જાણવું કે જોડો નાતરે ગયો ને રહે તો પહેરી લેવા. બેઉ બગાડવું નહીં. પચાસ-સો રૂપિયા હારુ શું ભગવાન જોડે બગાડ કરવો ?

પ્રશ્શનકર્તા : પણ આ તો દરરોજનું છે ને ?

દાદાશ્રી : દરરોજ ના જાય. આ તો એને ભડક છે.

પ્રશ્શનકર્તા : જાય એવું છે.

દાદાશ્રી : બહુ વિચાર કરે ને, તેના જ જાય છે. મારા જેવા વિચાર નથી કરતાં, તેના જોડા એમ ને એમ પડી રહેલા હોય છે. જાય જ નહીં, કાયદો છે. ધર્મ રક્ષણ કરે.

પ્રશ્શનકર્તા : શ્રદ્ધા રાખે તો ધર્મ રક્ષણ કરે ?

દાદાશ્રી : શ્રદ્ધા શી રીતે રહે ? જ્યાં દાનત જ ખોટી ત્યાં આગળ શ્રદ્ધા શી રીતે રહે ? દાનત ચોખ્ખી જોઇએ ક્ષત્રિયોની જેમ. ભગવાન ક્ષત્રિય હતા ને ? ચોખ્ખી દાનતવાળા તો જોડાને કહે કે, 'તારે જવું હોય તો જજે. હું તો ભગવાનનાં દર્શન કરવા જઉં છું.' અને તમારે તો આ જોઇએ ને તે ય જોઇએ.

પરિણામ પામે તે ધર્મ !

ધર્મ કોને કહેવાય ? જે ધર્મ થઇને પરિણામ પામે તે ધર્મ. એટલે કે મહીં પરિણામ પામીને કષાય ભાવોને (ક્રોધ-માન-માયા-લોભ) ઓછા કરે. કષાયભાવ ઓછા થાય એવા નથી, વધે એવા છે. એ પોતાની મેળે ઓછા કરવાથી થાય નહીં, પણ ધર્મથી જ ઓછા થાય. ધર્મ ક્યાંથી પ્રાપ્ત થવો જોઇએ ? 'જ્ઞાની પુરુષ' પાસેથી; સહી-સિક્કાવાળો ધર્મ હોવો જોઇએ. 'જ્ઞાની પુરુષ'ના પછી બે શબ્દો ય વાપરવા માંડ્યા કે જે શબ્દો વચનબળવાળા હોય, મહીં બળ આપનારા હોય, જાગૃતિ રખાવનારા હોય; તે શબ્દો આવરણો ભેદીને મહીંની શક્તિઓ પ્રગટ કરે.

પરિણામ પામે તે ધર્મ અને પરિણામ ના પામે તે અધર્મ. પરિણામ શું પામે ? ત્યારે કહે, કષાયભાવોને હળવા કરે, ઓછા કરે, હલકા-પાતળા કરે અને જેમ તે કષાયભાવો ઓછા થતાં જાય તેમ પોતાની શક્તિ, આનંદ વધતાં જાય. પોતાની બધી શક્તિ માલૂમ પડે કે ઓહોહો ! મહીં પોતાની કેવી શક્તિ છે ! આટલી બધી પોતામાં શક્તિ ક્યાંથી આવી ? એટલે ધર્મ એનું નામ કહેવાય. નહીં તો આ ભમરડો તો એવો ને એવો જ હોય, નાનપણથી તે ઠેઠ નનામી કાઢે ત્યાં સુધી એવો ને એવો જ હોય. તો એને ધર્મ શી રીતે કહેવાય ?

ધર્મ થઇને પરિણામ પામે, ત્યારે પરિણામ શું પામવાનું ? વ્રત, નિયમ, તપ કરતાં શીખે એ ? ના, એ ન હોય પરિણામ. ક્રોધ-માન-માયા-લોભનું, કષાયોનું નિવારણ કરે, એનું નામ ધર્મ અને અધર્મ તો કષાયો વધારે. ત્યારે કેટલાક કહે છે ને કે રોજ સામાયિક, પ્રવચન, ધ્યાન કરે છે ને ? શું એ ધર્મ નથી ? ભગવાન કહે છે કે ના, એ ધર્મ ન હોય. ભગવાન તો કહે છે કે તમે એમને જરા પૂછો કે આ બીજા જોડે, શિષ્યો જોડે કષાયો થાય છે કે નથી થતાં ? અને આપણે પૂછીએ કે, 'મહારાજ શિષ્યો જોડે કશું થઇ જાય છે ?' ત્યારે મહારાજ કહે કે, 'કોઇ એકુંય સામાયિક નથી કરતો. તે મને મહીં બહુ અકળામણ થઇ જાય છે ?' ત્યારે તેં કર્યું, તેને ધર્મ કેમ કહેવાય ? આ તો ઊલટાં કષાયો વધારે છે. ધર્મ સામાયિક વગેરેમાં નથી, ધર્મ તો કષાયભાવોનું નિવારણ કરે તે. કષાયભાવો તો દાબ્યા દબાવાય નહીં, કે એમને છોલ છોલ કરે, રંધો માર માર કરે તો ય કશું વળે નહીં.

એટલે પૂરેપૂરો પરિણામ પામે તે ધર્મ. મિથ્યાત્વ ખસેડે તે ધર્મ. મિથ્યાત્વનંુ ક્ષયોપશમ કરે તે ધર્મ. ધર્મ પૂરેપૂરો પરિણામ પામે ત્યારે 'પોતે' જ ધર્મસ્વરૂપ થઇ જાય.

તેથી શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું કે, ''વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે.'' કેવો ? જ્યાં કિંચિત્માત્ર ઉપાધિ ના હોય, કિંચિત્માત્ર ક્લેશનંુ કારણ ના હોય, સંસારમાં રહેવા છતાં કિંચિત્માત્ર ક્લેશ ના હોય, ચિંતા ના હોય, તો જાણવંુ કે વીતરાગનો ધર્મ પામ્યા છીએ. અને ચિંતા છે તો જાણવંુ કે અહંકાર છે અને અહંકાર છે એટલે ક્રોધ- માન-માયા-લોભ છે અને કષાયી આત્મા કહેવાય એને. જ્યાં સુધી અહંકાર છે, ત્યાં સુધી કષાય આત્મા કહેવાય છે અને અહંકાર નરમ થાય છે ત્યારે આત્મા ભણી જાય છે અને પૂરો કષાયરહિત થયો, તે ભગવાન થઈ ગયો. કષાયરહિત આત્મા એ ભગવાન.

ગમે તેવા સંજોગો ભેગા થાય છતાં સ્થિરતા ના તૂટે, ધ્યેય ના બદલાય એ ધર્મ પામ્યો કહેવાય. આ તો લોકો આબરુ રાખવા માટે સારા રહે છે કે પછી અવળા પાટાના સંજોગ ભેગા ના થાય એટલે સારા રહ્યા ! આપણો ધ્યેય 'શુદ્ધાત્મા' ને મોક્ષ, એટલે બીજું કશું અડે જ નહીં. પરપરિણતિ અડે જ નહીં. અત્યારે તમે આખો દહાડો પરપરિણતિમાં રહો છો ને મોક્ષ ખોળો છો ? મોક્ષે જવું હોય તો એ એક જ ધ્યેય જોઇએ.

મોક્ષમાર્ગનો સરળ ઉપાય !

પ્રશ્શનકર્તા : મુમુક્ષુ આત્માને મોક્ષ મેળવવા કયા ધર્મની જરૂર પડે?

દાદાશ્રી : આત્મધર્મની જરૂર પડે.

પ્રશ્શનકર્તા : કયા વેશમાં મોક્ષ મળે ?

દાદાશ્રી : વેશને ને મોક્ષને કંઇ લેવા-દેવા નથી. નાગો ફરતો હોય કે કપડાં પહેરેલો ફરતો હોય, તેનો કશો વાંધો નથી. ગમે તે વેશમાં મોક્ષ મળે.

પ્રશ્શનકર્તા : કયા સ્થાનકમાં મોક્ષ મળે ?

દાદાશ્રી : વીતરાગ ધર્મથી મોક્ષ મળે. વીતરાગ સ્થાનકમાં મોક્ષ મળે.

પ્રશ્શનકર્તા : કઇ દશામાં મોક્ષ મળે ?

દાદાશ્રી : વીતરાગ દશામાં મોક્ષ મળે.

પ્રશ્શનકર્તા : કયા વાડા, સંઘાડા, ફિરકામાં સાચો ધર્મ છે ? વાડા છે તે શું છે ? તેની જરૂર છે ?

દાદાશ્રી : વાડા એ બધા અંશધર્મ છે, 'રિલેટિવ' ધર્મ છે. જ્યાં પક્ષ છે ત્યાં મોક્ષ નથી, ત્યાં 'રિયલ' ધર્મ નથી. ગચ્છમાં સાચો ધર્મ નથી. કારણ કે એ એકાંતિક છે.

પ્રશ્શનકર્તા : સદ્ગુરુની પિછાણ કઇ ?

દાદાશ્રી : સદ્ગુરુ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ હોય. શાસ્ત્રમાં વાંચી ના હોય, ક્યાંય સાંભળી ના હોય, છતાં અનુભવમાં આવે એવી જેની અપૂર્વ વાણી હોય.

પ્રશ્શનકર્તા : આ જ સદ્ગુરુ છે તે કેમ કહેવાય ?

દાદાશ્રી : અહીં ઠંડક વળે તો જાણવું કે આ સદ્ગુરુ છે.

પ્રશ્શનકર્તા : સદ્ગુરુનાં લક્ષણ શું ?

દાદાશ્રી : કષાય - ક્રોધ, માન, માયા, લોભ રહિત પરિણામ !

પ્રશ્શનકર્તા : આ કાળમાં સદ્ગુરુ ક્યાં ક્યાં બિરાજે છે ?

દાદાશ્રી : આ આપની સમક્ષ બિરાજે છે.

પ્રશ્શનકર્તા : સદ્ગુરુ પામવા શું કરવું જોઇએ ?

દાદાશ્રી : પરમ વિનય.

પ્રશ્શનકર્તા : સમ્યક્ત્વ, બીજજ્ઞાન અથવા બોધબીજ એ ધર્મનાં મૂળ ગણાય તો તેની પ્રાપ્તિ શા થકી થાય ?

દાદાશ્રી : કષાયરહિત સદ્ગુરુથી !

પ્રશ્શનકર્તા : ધર્મની ઉત્પત્તિ એટલે કે ધર્મ શાથી થાય ?

દાદાશ્રી : કષાયરહિત સદ્ગુરુથી.

પ્રશ્શનકર્તા : કઇ ક્રિયાથી અથવા શું કરવાથી ધર્મ થાય ?

દાદાશ્રી : જ્ઞાનક્રિયા ને દર્શનક્રિયાથી ધર્મ થાય.

પ્રશ્શનકર્તા : ધર્મનંુ સાધન શંુ ? ધર્મ કોને કહેવાય ?

દાદાશ્રી : ધર્મનંુ સાધન ઉપાદાન જાગૃત જોઈએ. અને ધર્મ કોને કહેવાય ? પોતાને કષાય ઘડી જાય તો જાણવંુ કે ધર્મ ઉત્પન્ન થયો. કષાય ઘટે તો જાણવંુ કે ધર્મ થયો.

પ્રશ્શનકર્તા : કઈ રીતે ધર્મમાં સ્થિર થવાય ?

દાદાશ્રી : ઉપાદાન જાગૃત કરવાથી સ્થિર થવાય.

પ્રશ્શનકર્તા : મોક્ષમાર્ગનો સરળ ઉપાય શો ?

દાદાશ્રી : કષાયરહિત જ્ઞાની પુરુષની સેવાથી મોક્ષમાર્ગનો સરળ ઉપાય.

પ્રશ્શનકર્તા : કયા કયા સાધનથી મોક્ષ થાય ?

દાદાશ્રી : જ્ઞાનથી મોક્ષ થાય છે. સદ્જ્ઞાનથી આત્મજ્ઞાનથી મોક્ષ થાય.

પ્રશ્શનકર્તા : 'હંુ શુદ્ધાત્મા છું' એટલંુ ગોખ્યા કરવાથી કેટલી અસર થાય ?

દાદાશ્રી : ભ્રાંતિમાં પોતાનું સ્વરૂપ જે બોલ્યા અને અભ્રાંતિ શબ્દ છે. માટે પાછું અવાય, જેટલું અવળા ગયેલા. પાછું

'જ્ઞાની પુરુષ'માં અનંત પ્રકારની સિદ્ધિઓ હોય છે તેથી આમ બની શકે છે. એમનામાં તો બહુ પ્રકારની સિદ્ધિઓ હોય, ગજબની સિદ્ધિઓ હોય. કારણ કે જેને કોઇ અપેક્ષા ના હોય, તેને બહુ પ્રકારની સિદ્ધિઓ હોય.

પ્રશ્શનકર્તા : મોક્ષમાર્ગમાં વ્યવહાર નડે તો ખરોને ?

દાદાશ્રી : હકીકત સ્વરૂપમાં એવું કહેવા માગીએ છીએ કે જો વ્યવહાર નડતો હોય તો આ સાધુઓ, સંન્યાસીઓ, આચાર્યોએ વ્યવહાર છોડ્યો છે, માટે હવે એમનો ઉકેલ થઇ જવો જોઇએ એવો અર્થ થયો. પણ એમ બનતું નથી. હકીકતમાં મોક્ષ માટે વ્યવહારનો વાંધો નથી. મોક્ષ માટે વ્યવહાર નડતો નથી, અજ્ઞાન એકલું જ નડે છે. 'જ્ઞાની પુરુષ' એવું સચોટ જ્ઞાન આપે છે કે તુર્ત જ વર્તનમાં આવે. જે જ્ઞાન ક્રિયાકારી હોય તે જ્ઞાન કહેવાય, બીજાં બધાં ન્હોય જ્ઞાન.

રોગ ના મટે, તે દવા કહેવાય ?

જગતના દરેક ધર્મોએ બધા ગૂંચવાડા જ ઊભા કર્યા છે. જે ધર્મથી ક્રોધ-માન-માયા-લોભ ઓછાં થાય નહીં, મતભેદ ઓછા થાય નહીં, તો પછી એને ધર્મ કહેવાય જ કેવી રીતે ?

આખી જિંદગી ધર્મ કર્યો અને વહુ જોડે મતભેદ ના ઘટ્યો. ત્યારે અલ્યા, શેને ધર્મ કહે છે ? તમને એમ લાગતંુ હતંુ ને કે હંુ ધર્મ કરંુ છું પણ એમાં મતભેદ કોઈ દહાડો ઘટતો નહોતો, ચિંતા-ઉપાધિ ઘટતી ન્હોતી.

ત્યારે એનંુ નામ દવા કહેવાય ? જે રોગ ના મટાડે, એનંુ નામ દવા કહેવાય ? ધર્મ એ તો દવા છે, દુઃખ અવશ્ય જાય.

આટલો બધો ધર્મ, તો ય ઉપાધિ ?

ધર્મ ધર્મના સ્ટેજ ઉપર રહ્યો નથી. એ શંુ કહેવા માગે છે ? તે ખાધેલું એનંુ નામ કહેવાય કે અંદર સંતોષ થાય, ભૂખ મટે. આ તો ધર્મ થઈને પરિણામ પામ્યો, તો પછી દોડધામ રોજ શા હારુ, શેના હારુ તે ? અરે, તે વીલા મોઢાં, જરાય શાંતિ નહીં. આખો દહાડો અશાંત પરિણામ અને એને પછી ધર્મ માને, ત્યારે ફૂલ્સ પેરેડાઈઝ જ છે ને આ ! જરાય શાંતિ નહીં ને એને ધર્મ માને, તો ફૂલ્સ પેરેડાઈઝ કહેવાય કે બીજું કહેવાય એને ?

પ્રશ્શનકર્તા : પણ જો આટલંુ બધંુ કરે છતાં શાંતિ કેમ નહીં ? એટલે કંઈક ઘર્ષણ થતંુ હોવંુ જોઈએ.

દાદાશ્રી : એમને વસ્તુઓ સારી મળી નહીં, સંજોગો બાઝયા નહીં અને સંજોગો બાઝયા. બધા વિપરિત બાઝયા. પુસ્તકો વિપરિત, બધંુ વિપરિત સંતો, સેકડે બે-પાંચ ટકા સારા હોય, ત્યારે હમકુ કુછ નહીં ચાહીએ. ત્યારે નિસ્પૃહ થઈને બેઠેલો હોય મૂઓ. સમજણ તો પડે નહીં અને નિસ્પૃહતા હોય અને સારા હોય તે ચાલાક હોય, તે લોકોની ચોટલી ઉતારી લે. એટલે આવી રીતે બધંુ ચાલ્યંુ છે. આ દશા જુઓ હિન્દુસ્તાનની થઈ ! એટલે હવે કુદરત ફરી વળશે ને એ જ રાગે પાડે અને બહુ સારી પ્રજા છે. ફળ બહુ ઊંચંુ આવવાનંુ છે. કારણ કે લોકોએ બહુ તપ કર્યું છે. કંઈ ઓછું તપ કર્યું છે ? અને તપ કર્યું તે એમનંુ કંઈ એમના દોષ હતા, તે ભોગવ્યા બધા.

આવી દશા ના હોવી જોઈએ. કેવી દશા હિન્દુસ્તાનની, દશા તો જુઓ ! છે તે ય ભોગવાતું નથી. ઘરમાં ખાવા-પીવાનંુ હોય ને કપડાં હોય તો ય શાંતિથી ભોગવાય નહીં. એ ય આખો દહાડો ઉપાધિ ઉપાધિ ઉપાધિ. સંતોષ જેવંુ તો કોઈ જગ્યાએ સ્થળ રહ્યંુ જ નથી.

મેલ કપાય, તે સાચો સાબુ !

પ્રશ્શનકર્તા : ધાર્મિક પુસ્તકો જંજાળમાંથી મુક્ત થવા માટે જ લખાયાં છે ને ?

દાદાશ્રી : હા, પણ ધાર્મિક પુસ્તકો જંજાળમાંથી મુક્ત થવાનું કોઈ જગ્યાએ બતાવતાં જ નથી. એ તો ધર્મ કરવા માટે છે. એનાથી જગત ઉપર અધર્મ ચઢી ના બેસે. એટલે કંઈક સારું એવું શીખવાડે. એનાથી સાંસારિક સુખ મળે, અડચણો ના પડે, ખાવા-પીવાનું મળે, લક્ષ્મી મળે એટલે ધર્મ શીખવાડ શીખવાડ કરે છે. આ તો કો'ક વખત 'જ્ઞાની પુરુષ' હોય. હું જે વાત કરું છું તે વાત ક્યાંય પણ હોય નહીં. પુસ્તકમાં ય ના હોય, કારણ કે આનું વર્ણન થઈ શકે તેમ નથી. એ બધું 'જ્ઞાની પુરુષ' પાસે જ હોય. એ તમને સમજાવે તે તમને બુદ્ધિ દ્વારા પકડી શકાય અને તમારો આત્મા કબૂલ કરે તો જ માનજો.

'જ્ઞાની' પાસે સીધા થવું પડશે. આડાઈ નામેય ના ચાલે અને તમારી ચિંતા જાય, મતભેદ જાય તો જાણવું કે કંઈ સાંભળવાનું ફળ છે. આ તો નથી એકુંય મતભેદ ગયો, નથી ધ્યાન સુધર્યું. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થાય છે. એનો અર્થ ધર્મનો એકેય અક્ષર પામ્યો નથી. છતાં મનમાં એમ માની બેસે છે કે ચાલીસ વરસથી હું ધર્મ કરું છું, મંદિરોમાં, ઉપાશ્રયોમાં પડી રહું છું. પણ એનો કશો અર્થ નથી, 'મીનીંગલેસ' છે. આ તમારો ટાઈમ બગાડો છો.

આ તો ત્યાં ગયાને, એનાં મનમાં એમ લાગે કે મેં ધર્મ કર્યો. પણ આ તો ચાર પગ થવાનાં હોય. કારણ કે ચાર પગ શેનાથી થાય ? આ કષાય કરવાથી. રૌદ્રધ્યાન ને આર્તધ્યાનનું ફળ શું ? નર્કગતિ અને તીર્યંચગતિ.

શાંતિ વધે, ક્લેશ થાય નહીં, એનું નામ ધર્મ કહેવાય. આ તો બધા ધર્મ જ નથી. આ તો (ન્યુઝ)પેપરના જેવું. આ નવાં પેપરો ! આને ધર્મ કેમ કહેવાય ? આટલો આટલો ધર્મ કરે છે તો ય ક્રોધ-માન-માયા-લોભ, એ નબળાઈ એટલી ને એટલી જ રહે છે. તમને કેમ લાગે છે ? અશાંતિ ઓછી ના થવી જોઈએ ? સાબુ ઘાલીએ ને કપડાંનો મેલ ઓછો ના થાય ? એટલે આ માર્ગ ન હોય.

પ્રશ્શનકર્તા : માણસનું શરીર નબળું પડે તોયે પણ એની મહીં કષાય ભાવ છે તે કેમ નબળા નથી પડતા ? એ તો જોર કરે છે જ.

દાદાશ્રી : કષાય તો વધારે મજબૂત થાય ઊલટાં. માણસ ઘૈડો થાય ત્યારે કષાય જવાન થાય, લે !

પ્રશ્શનકર્તા : ઇ નબળા પડવા જોઈએ.

દાદાશ્રી : નબળા ના પડે. નબળા તો શરીર મજબૂત હોય ને, ત્યારે નબળા પડે. જ્યારે પુદ્ગલ જોરદાર હોય ત્યારે કષાય નબળા હોય અને ઘૈડો થાય ત્યારે કષાય જબરા થાય. એ પુદ્ગલનો પ્રભાવ હોય છે. એ તો કષાય જરા ટાઢા પડી જાય. હમણે શરીરે મજબૂત હોય ને જોરદાર હોય માણસ, એ વારેઘડીએ ચીઢાય નહીં એ. અને આ તો પેલાં ટેટા અમથું અમથું ચીઢાય.

પ્રશ્શનકર્તા : પણ કષાયને મારવા શું કરવું ?

દાદાશ્રી : કષાયને મારવા નીકળ્યા છો ? આ અહિંસાના ધર્મમાં મારવાનંુ હોય ? ધર્મ અહિંસાનો, મહાવીરનો, તેમાં મારવાનું ?

પ્રશ્શનકર્તા : કષાયોને મારવામાં પાપ નથી. કષાય તો ખરાબ વસ્તુ છે. એમાં પાપ નથી, સાહેબ !

દાદાશ્રી : ઓહોહો ! કષાયને મારવાવાળા નીકળ્યા, ભઈ ! એને મારી શકેલો કોઈ ? સાધુ- આચાર્યોએ કોઈએ મારેલો કષાયને ? આ કષાયો છે તે એમણે મારી નાખ્યા છે લોકોને. કષાયોએ મનુષ્યોને મારી નાખેલા, સાધુ-આચાર્યો બધાને મારી નાખ્યા અને લોક કહે છે, મારે એમને મારવા છે.

અહિંસાથી સમાધાન કરવાનું. તમે મારવા ફરી વળો તો એ પછી ઓછાં જોરદાર નથી એ. એ તો કેટલાં ભઈ છે, જાણો છો તમે ? છ ભાઈ ને એક મા. તે ક્રોધ-માન-માયા-લોભ-રાગ ને દ્વેષ, છ ભાઈઓ, અને માયા નામની મા. તે સાત જણને નિર્વંશ કોઈ કરી શકેલો નહીં. તમારે નિર્વંશ થઈ ગયા છે ? તમારે પાસે નથી, નહીં ? શી રીતે થઈ ગયા ?

પ્રશ્શનકર્તા : કષાય નિર્વંશ થઈ ગયા, એનું માપદંડ શું ? એનંુ પ્રમાણ શું ?

દાદાશ્રી : આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાય.

એ શ્રવણ સંસાર રોગ મટાડે !

આ દુષમકાળના જીવોની સમજણમાં મોહ અને મૂર્છા ભરેલાં છે. તેથી કૃપાળુદેવે આ કાળના જીવોને હત્પુણ્યશાળી કહ્યા ! તે લોકો આખો દહાડો ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ કર્યા કરે ! બાપ-દાદા કરતા હતા તે રૂઢિ ચાલી આવતી હોય તે પ્રમાણે ધર્મ કરે. પણ તે સમજણપૂર્વકનું ના હોય.

આજે તો ધર્મમાં ય ભેળસેળ થઇ ગયું છે. સાચા ઘીમાં વેજીટેબલ ઘીની ભેળસેળનો જમાનો ગયો, હવે તો વેજીટેબલ ઘીની અંદરેય ભેળસેળ આવે છે ! કોઇ કહે કે, 'તમારા ક્રોધ-માન-માયા-લોભ કાઢી નાખો.' ત્યારે આપણે કહીએ, 'સાહેબ, એ તો હું ય જાણું છું. પણ એવું કંઇક કહો કે જેથી મારા ક્રોધ-માન-માયા-લોભ જાય.' આમ ને આમ ચલાવ્યા કરીએ તેનો શો અર્થ ? વચનબળવાળા પુરુષની પાસે જઇએ, ચારિત્ર્યબળવાળા પુરુષની પાસે જઇએ એટલે ક્રોધ-માન-માયા-લોભને જવું પડે. નબળા માણસથી તેની નબળાઇઓ જાતે જતી હોય તો પછી જબરા માણસનું શું કામ છે ?

લોકો ધર્મનું સાંભળવા જાય છે એને શ્રુતજ્ઞાન કહે છે. પણ શ્રુતજ્ઞાન તો એનું નામ કહેવાય કે એ સાંભળ્યા પછી આપણો રોગ એની મેળે નીકળે.

આ બધામાં ભૂલ કોની ?

આ લોકો બધા ચાલે છે, બધી ધર્મની વાતો કરે છે, એમાં એકંુય અક્ષરે ય સાચો છે ? એમ પૂછો તો ખબર પડે કે એકુંય અક્ષર સાચો નથી આમાં. આ બધી વાતો ચાલે છે, કલ્પિત વાતો છે બધી. કલ્પિત વાત ને સાચી વાતમાં ફેર ખરો ?

પ્રશ્શનકર્તા : ઘણો ફેર.

દાદાશ્રી : અને અત્યારે તો બધા જ ધર્મો બેસૂરા થઈ ગયા. ત્યારે તો આ દશા થઈ લોકોની. નહીં તો ધર્મ સુખ આપ્યા વગર રહે જ નહીં, ભલેને જ્ઞાન ના હોય. પણ ધર્મ એનું નામ કહેવાય કે સુખ આપે જ. ત્યારે તો એ જ ધર્મ દુઃખ આપે છે, ચિંતાઓ કરાવે છે. ત્યારે એ ધર્મની ભૂલ થઈ હશે કે કરનારની ભૂલ થઈ હશે ?

પ્રશ્શનકર્તા : કરનારની. ધર્મની કંઈ ભૂલ ના હોય.

દાદાશ્રી : ત્યારે કરનાર કહે છે કે સાહેબ અમે શું કરીએ ? અમને જેવો ઉપદેશ મળ્યો છે, એવું અમે કરીએ છીએ.

ખરો આત્માર્થી જન !

પ્રશ્શનકર્તા : હા પણ શ્રીમદ્નું પેલું એક વાક્ય છે ને, 'જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ. ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.'

દાદાશ્રી : આત્માર્થી ક્યાંથી લાવે ? આત્માર્થી છે કોઈ જગ્યાએ ? આ તો આત્માર્થીને માટે વાક્ય છે.

પ્રશ્શનકર્તા : પણ બધામાં આત્મા તો છે ને ?

દાદાશ્રી : નહીં, આત્મા છે પણ આત્માર્થી થયો નથી.

પ્રશ્શનકર્તા : સંસારાર્થી છે એમ ?

દાદાશ્રી : એ ખરાં...

પ્રશ્શનકર્તા : આત્માર્થી ક્યારે થવાય ?

દાદાશ્રી : આત્માના આત્માના માટે જ છે તે પોતાનું જ્ઞાન, દર્શન ને ચારિત્ર વર્તતું હોય ત્યારે આત્માર્થી થાય. આ તો ઘર ચલાવવા માટે દેહાર્થ છે ને દેહાધ્યાસને માટે છે બધું આ જગત. ધર્મેય દેહાર્થને માટે કરે છે ! આત્માર્થ ક્યાંથી લાવે ? એ તો એ કંઈ બજારું ચીજ નથી. બીજી બધી બજારું ચીજ મળે પણ આત્માર્થ ના મળે. એ ભગવાનના બગીચાની ચીજ છે. બજારું ચીજ એ બધે ઘેર-ઘેર મળશે.

પ્રશ્શનકર્તા : એટલે પોતાની મેળે આત્માર્થી ન થઈ શકે ?

દાદાશ્રી : આત્માર્થી હોઈ શકે નહીં માણસ. આત્માર્થી એટલે રાત-દહાડો સવારથી સાંજ સુધી આત્માર્થમાં જ હોય. બીજા અર્થમાં ન હોય.

પ્રશ્શનકર્તા : આત્માર્થી ક્યારે કહેવાય ? કઈ દશામાં હોય ત્યારે આત્માર્થી કહેવાય ?

દાદાશ્રી : કષાયરહિત થાય ત્યારે આત્માર્થી થાય. કષાય મંદ પડી ગયા હોય અને કોઈનેય કિંચિત્માત્ર પોતાનો કષાય અડે નહીં. પોતાના કષાય પોતાને દુઃખ દે પણ બીજાને કંઈ અડે નહીં. બીજાને ઝાળ ન લગાડે ત્યારથી એ આત્માર્થ શરૂ થાય. આત્માર્થી ત્યારથી કહેવાય. કષાયની મંદતા થઈ નથી, ત્યાં આત્માર્થી ને લેવા-દેવાય નહીં. એ કષાયાર્થી જ છે. કંઈ માન વધારતા કે લોભ વધારવા કે કંઈ પણ કંઈ સુખ વધારવા, એને માટે જ છે આ બધોય ધર્મ !

પ્રશ્શનકર્તા : પોતાની મેળે આ કષાયરહિત થઈ શકાય ?

દાદાશ્રી : ના. કષાયરહિત થયેલા હોય અને એની પાસે જઈએ તો કષાયરહિત થવાય. બાકી, કષાયરહિતનો અત્યારે સરળ માર્ગ એ, બીજો રસ્તો નથી.

પ્રશ્શનકર્તા : પોતાની મેળે થવાય નહીં ?

દાદાશ્રી : થાય. પણ એ ભાંજગડ કરશે ઘણાં કાળે તોય પણ એનું ઠેકાણું નહીં. પણ રસ્તો સરળ ને સીધો આ કે જે કષાયરહિત થયેલા હોય ને, એવા મુક્ત પુરુષ પાસે જઈએ તો મુક્તિ આપે. નહીં તો મુક્તિ કોઈ દહાડોય મળે નહીં. અને કષાયરહિત થાય તો દહાડો વળે. એક કલાક પણ જો કષાય ગેરહાજર થાય તો જાણવું કે હવે સમ્યક્ દર્શન આવવાનું થયું. એક કલાક પણ કષાયરહિત થાય નહીં માણસ. અને આત્માર્થી છે ત્યાં કષાય નથી.

આ જ્ઞાન લીધા પછી આ ભાઈ સંપૂર્ણ આત્માર્થી જ. આ બેનેય આત્માર્થી છે, સો ટકા. આત્માર્થી એટલે હવે દિન-રાત આત્માને માટે જ. આત્માર્થે જ જીવન છે !

પ્રશ્શનકર્તા : પણ વ્યવહારમાં બધું કામ કરતાં હોય, છોકરા માટે આમ કરે, બીજાના માટે આમ કરે. તો એમ કેમ કહેવાય કે પોતાના આત્માર્થે જ કરે છે ?

દાદાશ્રી : એ તો કામ કરવાની બધી છૂટ પણ આ કયા અર્થે આ બધું ? એ પણ મહીં આત્માર્થને માટે જ હવે આ બધું કરવાનું રહ્યું. ખાય છે તે હંઅ આત્માને માટે, પીવે છે તેય આત્માને માટે. રાત્રે સૂઈ જાય છે તે ય આત્માર્થ માટે. બધી ક્રિયા દેહાર્થને માટે હતી, તેને બદલે બધી ક્રિયા આત્માર્થ માટે થઈ ગઈ. એટલે એની એ જ ક્રિયા. ક્રિયા તેની તે જ. કરનારો જુએ.

પ્રશ્શનકર્તા : હું નથી કરતો, આ ચંદુભાઈ કરે છે, એ જુદા પડીને કરે ભાવ એટલે આત્માર્થે થયું ને ?

દાદાશ્રી : ના, તો જુદા રહીને ના કરું તો ય આત્માર્થી જ છે. એ તો પોતે આત્માર્થ છે પણ ચંદુભાઈયે આત્માર્થ માટે છે. અમે જે એમને દવા આપી છે ને, તે આધારે એ આત્માર્થી જ છે. જુદા પડીને કરે કે ના કરે, તેનો મારે વાંધો નહીં.

પ્રશ્શનકર્તા : દાદા, આ તો સમજાય નહીં એવી વાત આપ કહો છો.

દાદાશ્રી : એ જ્ઞાની પુરુષ સિવાય હોય નહીં ને પણ !

ટાળો ભાવનિદ્રા !

તેથી 'જ્ઞાની પુરુષ' આખા જગતને ભાવનિદ્રામાં છે, એમ કહે છે. આ ધંધો-રોજગાર કરે, એમાં પૈસા કમાવવામાં પડ્યા, તે એક બાજુની નિદ્રા ઊડી ને બીજે બધે ભાવનિદ્રા ! તેથી ધર્મનો એક છાંટોય પામ્યો નથી. ધર્મ તો, રાત્રે ય એક ક્ષણ પણ ભાવનિદ્રા થવા ના દે. સર્વ પ્રકારના ભાવ ઉત્પન્ન થાય એવો આ લોક છે, એમાં ભાવનિદ્રા ના આવવી જોઇએ. દેહનિદ્રા આવશે તો ચાલશે.

પ્રશ્શનકર્તા : ભાવનિદ્રા જ આવે છે, દાદા !

દાદાશ્રી : એમ કેમ ચાલે ? આ ટ્રેન આવે ત્યારે કંઇ નિદ્રા નથી આવતી. આ ટ્રેન તો એક અવતારનું મરણ લાવે, પણ ભાવનિદ્રા તો અનંત અવતારનું મરણ લાવશે. ચિત્ર-વિચિત્ર ભાવ ઉત્પન્ન થાય એવું આ જગત છે. એમાં તારે તારું સમજી લેવાનું છે. જો તને ભાવનિદ્રા હશે તો જગત તને ચોંટશે. જ્યાં ભાવનિદ્રા આવે ત્યાં જ પ્રતિક્રમણ કરવું.

સાચી સમાધિ, જાગૃતિ સહિત !

આ ધર્મમાં મોટાં મોટાં વાક્યો લખે તે ય ભાવનિદ્રા. કોઇને દેહની સમાધિ વર્તે, તે તો મનના થરમાં પડી રહે. બાકી સમાધિ તો તેનું નામ કે દરેક પ્રકારની જાગૃતિ રહે; મન-વચન-કાયાની, વાળેવાળની જાગૃતિ રહે.

સ્વભાવભાવ તે સ્વધર્મ !

પ્રશ્શનકર્તા : ધર્મ કોને કહેવો એ જ સમજવું હતું ?

દાદાશ્રી : જે આપણને ધરી રાખે, પડવા ના દે, એનું નામ ધર્મ કહેવાય. અત્યારે તો તમે પડી રહ્યા છો, તેની તમને ખબરેય નથી. આ કળિયુગના મનુષ્યો બધા 'સ્લીપ' થઇ રહ્યા છે, ધીમે ધીમે અધોગતિમાં જાય છે.

ધર્મ વસ્તુનો એક જ અર્થ નથી. ધર્મ કેટલી જાતના છે ? એક 'ડિગ્રી'થી માંડીને ત્રણસો સાઠ 'ડિગ્રી' સુધીના ધર્મો છે. દરેક માણસના જુદા જુદા 'વ્યુઝ'ના જુદા જુદા ધર્મો છે, તેથી મતભેદો છે. આપણા દેશમાં જે ધર્મ ચાલે છે તે ધર્મ શું છે કે ખોટાં કર્મો છોડાવડાવે છે અને સારાં કર્મો કરાવડાવે છે.

પ્રશ્શનકર્તા : એટલે એને જ ધર્મ કહેવાય ?

દાદાશ્રી : ના, એને સાચો ધર્મ કહેવાય નહીં. આ સોનાનો ધર્મ શું ? એને કાટ ચઢે ખરો ? એટલે પોતાના સ્વભાવમાં રહે તો ધર્મ કહેવાય. એટલે તમે આત્મા છો, તે આત્મસ્વરૂપમાં રહો તો જ ધર્મ કહેવાય. આ તો દેહાધ્યાસ છે. ખોટાં કર્મ છોડાવડાવે ને સારાં કર્મ કરાવડાવે. એ બધી જ ભ્રાંતિ છે. સારા કર્મેય ભ્રાંતિ છે ને ખોટા કર્મેય ભ્રાંતિ છે, પણ તેથી કરીને સારાં કર્મો છોડી દેવાનું હું નથી કહેતો. ખોટામાંથી સારામાં જાય છે એ સારી વાત છે, પણ તો ય ભ્રાંતિ જતી નથી. ભ્રાંતિ ગયા પછી સાચા ધર્મની શરૂઆત થાય છે.

વસ્તુ સ્વભાવમાં પરિણમે, એનું નામ ધર્મ. એટલે તમે આત્મા છો. પોતાનો શું સ્વભાવ છે? તો કે' નિરંતર પરમાનંદ. પરમાનંદમાં રહ્યો એટલે બહારની વસ્તુ તમને અસર કરે નહીં, એનું નામ ધર્મ અને તે મોક્ષે પહોંચાડે, મુક્તિ આપે.

મતભેદ ટાળે તે ધર્મ !

ધર્મ તો મનુષ્યે મનુષ્યે જુદો હોય. દરેક મનુષ્યે ધર્મ જુદો જ હોય. તમે ગમે તે ધર્મમાં જાવ ને, તે પાછા મહીં મતભેદ ખરાં પાછા. ખરા કે નહીં ? ધર્મ તો મતભેદ ના હોય ત્યાં સાચો. બાકી પચ્ચીસ માણસ બેઠા હોય ને મહીં મતભેદ હોય, તેને પછી ધર્મ કહેવાય જ કેમ ? ધર્મ તો બધાં માણસે માણસે જુદો જ હોય. દરેક માણસે ધર્મ જુદો જ હોય. આ ધર્મ જ ના કહેવાય ને !

પ્રશ્શનકર્તા : સાચો ધર્મ કેવો હોય આપની દ્રષ્ટિએ ?

દાદાશ્રી : મારે ત્યાં જોવા મળે. મારે ત્યાં બધું ટોળંુ ભેગંુ હોય તે ઘડીએ જોવા જેવો હોય કે સાચો ધર્મ કેવો હોય ! આદર્શ !! બે-પાંચ હજાર જમનારા બેઠાં હોયને તો અવાજ ના થાય. વિનય, સામસામી અથડાય ખરા પણ અવાજ નહીં. આ તો બધંુ ઠોકાઠોક બધંુ.

મુંબઈથી ભાદરણ બસ આવવાની'તી, ભાદરણ દર્શન કરવા. તે બસ કરેલી. કેટલાં વાગે આવેલી ?

પ્રશ્શનકર્તા : આમ પાંચ વાગ્યાનો ટાઈમ કહેલો.

દાદાશ્રી : બધાને કહેલો પાંચ વાગ્યાનો ટાઈમ. એટલે બધાં જ વહેલા ઊઠીને, ચા-બા પીઈને, નાહી-ધોઈને આવેલાં પછી. તે બસ સાડા અગિયાર વાગે આવી. પણ એ પચાસેય માણસનાં પેટમાં પાણી નથી હાલ્યું. દાબ નહીં, ફરિયાદ નહીં, બૂમ નહીં, બરાડો નહીં. મોઢું બગડેલું નહીં. જાણે કશું જ બન્યું જ નથી. એનું નામ ધર્મ કહેવાય. આને ધર્મ કહેવાય જ કેમ કરીને ? મતભેદ રહ્યા પછી, પાછી ભાંજગડ રહ્યા પછી તો ધર્મ કહેવાય જ શી રીતે ? કશું બૂમ-બરાડો હતો પછી ?

પ્રશ્શનકર્તા : ના, આનંદ હતો.

દાદાશ્રી : મને ત્યાં ભાદરણ આવીને બધાં કહેવા માંડ્યા. કહે છે, અમારી નાતનાં હોય તો બધાં બૂમાબૂમ કરે, વઢમ્વઢા કરી મેલે. આ તો પેટમાં પાણી નથી હાલ્યું. એવું દરેક પ્રસંગમાં આપણે ત્યાં બનેલું. દરેક પ્રસંગમાં પેટમાં પાણી હાલે નહીં. તમારે હાલેલું કોઈ દા'ડો પેટમાં પાણી ? કોઈ દહાડો નહીં હાલેલું ?

ધર્મ તો મનુષ્ય માત્રના જુદા જુદા જ હોય. અને એ બધા રિલેટીવ ધર્મ કહેવાય. સ્ટાન્ડર્ડ ધર્મ એ બીજું કશું ફળ ના આપે, સાધારણ ક્વોલિફાઈડ કરે. ખરા ધર્મની શરૂઆત ક્યારે ? સંયમ. સંયમ હોય ત્યાર પછી શરૂઆત થાય.

બાલ-વૃદ્ધ, બધાને ગમે તે ઘર્મ !

જ્યાં એટિકેટ ના હોય, જ્યાં સહજભાવ હોય, ત્યાં ધર્મ હોય. સહજભાવ જેટલો હોય એટલો જ ધર્મ. સહજાસહજ જે બની આવે ને એ !

પ્રશ્શનકર્તા : આ તમે જરા દાખલા સાથે કહો ને, તો બધા એક્ઝેક્ટલી સમજશે.

દાદાશ્રી : એવી જગ્યાએ તમે ગયા હોય, ત્યાં દસ માણસો મોટા ભણેલા, પી.એચ.ડી. હોય, દસ માણસો ગ્રેજ્યુએટ થયેલા, દસ માણસો મેટ્રિક થયેલા, દસ માણસો ગુજરાતી જ ભણેલા, દસ માણસો બિલકુલ ભણેલા જ નહીં, દસ નાના છોકરાં - દોઢ- બે વર્ષનાં, ઘરડાં ડોસા - સાંઠ-પાંસઠ-સિત્તેર વર્ષના, એ બધાં ભેગાં થઈને જાય, તો ત્યાં ધર્મ છે. એટલે જ્યાં આગળ નાનાં બાળકોય બેસી રહે, સ્ત્રીઓ બેસી રહે, ઘૈડી ડોશીઓ બેસે, પૈણેલા બેસી રહે, ત્યાં ધર્મ છે. કારણ કે સામાનું મન વશ કરે એવા હોય ત્યાં જ એ બેસી શકે, નહીં તો બેસી ના શકે. સામાનું મન વશ તો પોતાનું મન વશ થયેલું હોય તો જ કરી શકે. જે સ્વતંત્ર ચાલે છે, મન જેને સંપૂર્ણ વશ છે, ત્યાં કામ થાય.

ભણેલાને ગમે, અભણને ગમે, રાંડેલીને ગમે, માંડેલીને ગમે, નાના દોઢ વર્ષના બાબાને ય અહીં ખસવાનંુ મન ના થાય અને એંસી વર્ષના ડોસાને ઉઠવાનંુ મન ના થાય. કારણ કે વાતાવરણમાં જ સુખ પડતંુ હોય. બાબોય અહીંથી જાય નહીં. આ બધાને ખસવાનંુ મન ના થાય. ત્યારે કહે છે, એમને શંુ સમજ પડે ? ના, સમજની જરૂર નથી. તંુ વાતાવરણમાં રહી તો જો એક ફેરો, જ્યાં સુખની છોળો ઉડતી હોય.

મુક્તિનો આનંદ ચખાડે તે ધર્મ !

જગતના દરેક ધર્મ છે ત્યાં મનોરંજન થાય, જ્યારે અહીં 'જ્ઞાની પુરુષ' પાસે આત્મરંજન થાય. મનોરંજન ઉશ્કેરાટ અનુભવે, સ્થિરતા ના અનુભવે. જ્યાં મન ઠરે ત્યા એ ધર્મ સાંભળવો, પણ જ્યાં મન ઉછાળે ચઢે, મનોરંજન થાય એ ધર્મ સાંભળવાનો શા કામનો ? કિંચિત્માત્ર મહીં ફેરફાર થાય તો કામનું. આ તો એંસી વરસ સુધી અપાસરે વ્યાખ્યાન સાંભળે, પ્રવચન સાંભળે તો ય કિંચિત્માત્ર ફેરફાર ના થાય, તો એ કામનું જ નહીં ને ! એ તો મનોરંજન કર્યું કહેવાય, એમાં સ્થિરતા ના થાય. આત્મરંજનમાં આઇસ્ક્રીમની પેઠે આત્મા ઠરે ને પેલામાં ઊકળે. મનોરંજનમાં મન ઉછાળે ચઢે, બહાર આત્મરંજન તો થાય જ શી રીતે ? અહીં આવો તો આત્મરંજન થાય. અહીં તો આવ્યો ત્યારથી જ આત્મા કબૂલ કરે કે, 'હવે છૂટવાનું થયું.' તેથી ઉલ્લાસ આવે. આ કેદીને કહીએ કે 'થોડા દિવસ પછી છૂટવાનો છે' તો કેદીને છોડ્યો ન હોય છતાં આનંદ આવે, એમ અહીં આત્મરંજન થાય. અહીંનો એક-એક શબ્દ બહુ જ ઝીણવટથી સાંભળવા જેવો. જ્ઞાનીનો એક જ શબ્દ મોક્ષે લઇ જનારો છે !

આ મનુષ્ય અવતારમાં જ મોક્ષનો માર્ગ પ્રાપ્ત થાય તેમ છે. આ અવતારમાં ચારેય ગતિમાં જઇ શકે છે અને મોક્ષ પણ આ મનુષ્ય ગતિમાંથી જ મળે એમ છે. જે મોક્ષ આપે, મુક્તિ આપે તે ધર્મ સાચો, બાકી બીજા તો અધર્મ જ છે.

અપસેટને કરે સેટઅપ !

કેટલાક મને પૂછે છે કે, 'દાદા, આ હિન્દુસ્તાનનું શું થઇ રહ્યું છે? આ ભ્રષ્ટાચાર વિરોધની ક્રાંતિ, આ રેલવે હડતાળ, આ બધું શું થઇ રહ્યું છે ? આ ક્યારે પૂરું થશે ?' ત્યારે એમને હું સમજ પાડું છું કે, 'આ તો બટાકા બફાવા મૂક્યા છે તે પાંચ જ મિનિટ થઇ છે. હજી તો માંડ છોતરું જ બફાયું છે. હવે એવા બટાકાને કાઢી લો તો શું થાય ? એ કશા ય કામમાં ના આવે. એના કરતાં નિરાંતે બટાકા બફાવા દો, પછી મજાનાં બટાકાવડાં થશે, તે ખાજો. હજી તો આ હિન્દુસ્તાન કંઇક બફાવાનું છે, પણ પરિણામ સુંદર આવવાનું છે. જ્યાં 'જ્ઞાની પુરુષ' અને તેમના હાથે ૨૧૦૩ જ્ઞાનીઓ થયા ને બીજી પણ કેટલીક 'ટિકિટો' આવેલ છે (૧૯૭૩-૭૪ની સાલમાં નીકળેલ દાદાશ્રીની વાણી), જે કોઇ કાળે ઉત્પન્ન ન હોતા થયા, તે આજે થયા છે. આ બધાં ધર્મોને ઉપર લાવશે. આ બધા ધર્મો અપસેટ થઇ ગયા છે તેને અમે ફરીથી અપસેટ કરી નાખીશું. એટલે શું થઇ જશે ? સેટઅપ થઇ જશે.

આ બધા ધર્મો અપસેટ થઈ ગયા છે ને, તે ફરી રાઈટ થઈ જશે. કેટલાક માણસોને આ જ્ઞાન મળી જશે. બીજા બધાને પેલંુ જ્ઞાન મળશે, કેમ કરીને સંસાર વ્યવહાર ચલાવવો !

કામ કાઢી લો !

જગત બહુ સમજવા જેવંુ છે. આત્મા સમજવા જેવો છે. ધર્મ, આ જે ચાલે છે, આ દુષમકાળમાં એને ધર્મ કહેવાય જ કેમ કરીને, આ તો લૌકિક ધર્મ છે. જે ધર્મ અધોગતિ કરાવડાવે, એને ધર્મ કેમ કહેવાય ? ધર્મ તો તેનંુ નામ કહેવાય કે ક્ષણે ક્ષણે દોષ તૂટતા જાય.

આ 'દાદા ભગવાનને નમસ્કાર કરંુ છંુ' બોલંુ છું, તે 'દાદા ભગવાન'ને તમે ઓળખો છો ? આ તો 'એ. એમ. પટેલ' છે અને પબ્લિક ટ્રસ્ટ છે અને દેરાસર છે. સુંદરમાં સુંદર આ દેરાસરમાં, ચૌદ લોકનો નાથ બેઠો છે ! આખા વર્લ્ડનંુ કલ્યાણ કરવા માટે આજ હાજર થયા છે આ મંદિરમાં, તે અમે પણ દર્શન કરીએ છીએ. 'દાદા ભગવાન'ને નમસ્કાર કરીએ છીએ અને આ બધા ધર્મની ઉન્નતિ માટે આ 'દાદા ભગવાન' પ્રગટ થયા છે.

ધર્મ આને કેમ કહેવાય ? જ્યાં આગળ આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય, તેને વીતરાગધર્મ કેમ કહેવાય તે ? જ્યાં કંઈ પણ આર્તધ્યાન-રૌદ્રધ્યાન છે, એને વીતરાગ શાસન કહેવાય ખરાં ? અને કોઈનો દોષ નથી, કોઈ જૈનોનો દોષ નથી, વૈષ્ણવોનો દોષ નથી, મુસ્લિમોનો દોષ નથી, આચાર્યનો દોષ નથી, સાધુઓનો દોષ નથી. ખબર પડી ને ? દોષ તો હતા, તે ભગવાનના વખતમાં મોક્ષે ગયા નહીં, મહાવીરના વખતમાં હતા બધા, પણ ચટણી ખાવા બેસી રહ્યા. શેના હારુ બેસી રહ્યા ? આખો થાળ જમવાની ઇચ્છા નથી. શેની ઇચ્છા છે ? ખાલી ચટણી હારુ જ ? આખો થાળ હારુ બેઠાં હોત તો શોભત. અલ્યા, ચટણી હારુ આટલો માર ખાવ છો ? અને આ માર તો, એમનો હવે કેવો માર તે, હજુ તો આ અઢાર હજાર વર્ષ પછી આરો પૂરો થશે. એટલે પછી ઉત્સર્પિણીનો આરો પછી બીજો આરો, આમ ૮૧ હજાર વર્ષ સુધી તો ધર્મનંુ ઠેકાણંુ નહીં પડે. તેથી કવિએ કહ્યંુ છે ને, આ છેલ્લી તક છે. લખ્યંુ છે ને, કામ કાઢી લેજો.

કેશ ફળ આપે તે ધર્મ !

ધર્મ તો કોને કહેવાય ? જે તરત ફળ આપે. તરત ફળ આપનારો હોય તો જ ધર્મ, નહીં તો અધર્મ. આ ક્રોધ, તરત જ ફળ આપે છે ને ? જેમ અધર્મ તરત ફળ આપે છે, તેમ ધર્મનું ફળ પણ તરત જ મળવું જોઇએ. સ્વરૂપનું અજ્ઞાન ગયું નથી ત્યાં સુધી જો સાચો ધર્મ કરે તો ય એના ઘરમાં ક્લેશ ના થાય. જ્યાં કષાય છે ત્યાં ધર્મ જ નથી. કષાય છે ત્યાં લોકો ધર્મ ખોળે છે, તે જ અજાયબી છે ! લોકોને પરીક્ષા કરવાનું ગજું જ નથી. સમ્યક્ દર્શન પ્રાપ્ત થયા પછી એને સંસાર ગમે જ નહીં. તેથી જ સમ્યક્ દર્શન શું કહે છે કે, 'મને પ્રાપ્ત કર્યા પછી તારે મોક્ષે જવું જ પડશે ! માટે મને સેવતાં પહેલાં વિચાર કરજે.' તેથી તો કવિએ ગાયું છે ને કે,

'જેની રે સંતો, કોટિ જન્મોની પુણ્યૈ જાગે,

તેને રે સંતો, દાદાનાં દર્શન થાયે રે,

ઘટમાં એને ખટકારો ખટ ખટ વાગે રે.'

ખટકારો એટલે શું કે એક વખત 'દાદા'ને ભેગો થયો તો પછી ફરી અહીં દર્શન કરવાનું મન થયા કરે. એથી અમે કહીએ છીએ કે, 'જો તારે પાછાં જવું હોય તો મને ભેગો થઇશ નહીં અને ભેગો થયો એટલે તારે મોક્ષે જવું પડશે. જો તારે ચાર ગતિમાં જવું હોય તો તે ય આપું. અહીં તો મોક્ષનો સિક્કો વાગી જાય એટલે મોક્ષે જવું જ પડે.' અમે તો તમને કહીએ છીએ કે અહીં ફસાશો નહીં અને ફસાયા પછી નીકળી શકશો નહીં.

કેશ બેન્ક, ડિવાઈન સોલ્યુશનની !

પ્રશ્શનકર્તા : દાદા, આજે એટેચમેન્ટનંુ, એટેચમેન્ટ એવંુ હોય છે ને, એટેચમેન્ટ અમુક જ તમારા વિચારો હોય અથવા તમારી કોઈ પ્રકારની સમજ હોય. સમજણ કોઈ વસ્તુ અંગે, એટલે એ સમજના આધારે તમારું અમુક એટેચમેન્ટ હોય. પણ એ જ્યારે તમારી સમજ બદલાય ત્યારે એ એટેચમેન્ટ નીકળી જાય. પેલંુ એટેચમેન્ટ જે પહેલાં હતું, એ ના રહે.

દાદાશ્રી : તોયે એને આપણે પૂછીએને ત્યારે કહે છે. હંુ છે તે બ્રાહ્મણ છું, હંુ જૈન છું કે ફલાણો છું. એવંુ બધંુ બોલ્યા કરે. કેવંુ બોલ્યા કરે ? ત્યાં સુધી એટેચમેન્ટ છૂટ્યંુ જ નથી. જ્યાં સુધી 'હંુ બ્રાહ્મણ છું' એવંુ માને છે કે 'હંુ ચંદુલાલ છું' એવંુ જાણે છે. એ જાણે છે ત્યાં સુધી એટેચમેન્ટમાં કશુંં છૂટ્યંુ નથી.

એટેચમેન્ટ તો ના હોવંુ જોઈએ પણ ડિટેચમેન્ટ પણ ના હોવંુ જોઈએ. એ આપણંુ તો લક્ષ છે. હિન્દુસ્તનના બધા ધર્મોનંુ લક્ષ શંુ છે ? ત્યારે કહે, વીતરાગપણંુ. જોયેલા કોઈ જગ્યાએ વીતરાગ ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : જે તમે જોઈ આવ્યા ને, તે સળી કરો ને તો તરત ફેણ માંડે. સળી કરો તો ફેણ માંડે ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : એ તમને ખાતરી છે ? આમ સળી કરીએ કંઈક તો ફેણ માંડે, નહીં ? પછી ત્યાં એટેચમેન્ટ-ડીટેચમેન્ટ જોવાની જરૂર જ ક્યાં રહી, આટલંુ ફેણ માંડે છે ત્યાં સુધી ! કશું ખાતો જ ના હોય આખો દહાડોય, તો આપણે શંુ લેવા-દેવા ? આવી અજ્ઞાન ને હઠયોગ તો બધા બહુ લોકો કરે છે.

જ્ઞાની પુરુષ વીતરાગ કહેવાય. એમનામાં એટેચમેન્ટ-ડીટેચમેન્ટ ના હોય. એ દર્શન કો'ક ફેરો, કો'ક વખત થાય. આજે પહેલી વખત તમને દર્શન થયા છે. એ દર્શન જ પ્રાપ્ત ના હોય ને ! એ દર્શન તો બહુ દુર્લભ કહેવાય. અતિશય દુર્લભ કહેવાય.

આ વાત સાંભળતી વખતે, મહીં કંઈક પરિણામ બદલાય છે. મહીં આનંદ થાય છે મહીં ?

પ્રશ્શનકર્તા : ચોક્કસ.

દાદાશ્રી : ધીસ ઈઝ ધ કેશ બેન્ક ઑફ ડિવાઈન સોલ્યુશન. કેશ બેન્ક હોવી જોઈએ. ઉધાર તો અત્યાર સુધી બહુ જોઈ ગયા. કેટલીય ઉધારી દુકાનોમાં ભટકી ગયાં, કેટલાય વર્ષ ! અહીં હવે પૂરો લાભ ઉઠાવી લો.

રોકડો મોક્ષ !

મોક્ષ એટલે આપણને મુક્તપણાનું ભાન થવું જોઇએ. 'હું મુક્ત છું' એવું ભાન જીવતાં જ રહેવું જોઇએ. મરી ગયા પછી મોક્ષ કામનો નહીં, એ તો છેતરવાની વાત છે. મોક્ષ તો રોકડો હોવો જોઇએ, ઉધાર ના ચાલે. શાક લેવા કોઇને મોકલીએ તો ય મહીં કમિશન કાઢી લે એવો આ જમાનો છે, તેમાં તે વળી મોક્ષ ઉધાર લેવાય ? એવો ઉધાર મોક્ષ કોઇ આપે તો આપણે કહી દેવું કે 'આવતે ભવ મોક્ષ' એવો ઉધાર મોક્ષ મારે નથી જોઇતો. આ વખતમાં ઉધારી ધંધો કરશો જ નહીં.

ભ્રાંતિ ધર્મ, દ્વંદ્વ રૂપે !

પ્રશ્શનકર્તા : ધર્મ પ્રત્યે માણસને આકર્ષણ થતું નથી, થોડો વખત થાય ને પાછો છોડી દે છે ને પાછો ધર્મ તરફ જાય છે, એવું કેમ ?

દાદાશ્રી : આ જગતમાં એકલું આકર્ષણ નથી. આકર્ષણ ને વિકર્ષણ બન્ને છે, એ દ્વન્દ્વરૂપ છે. આ જગત જ દ્વન્દ્વરૂપ છે. એકલું આકર્ષણ કે એકલું વિકર્ષણ ના હોય, નહિ તો ફરી આકર્ષણ થાય જ નહિ અને ધર્મનું એકલું આકર્ષણ હોય તો ય લોકો કંટાળી જાય. કારણ કે આ સંસારમાં જે ધર્મ ચાલે છે તે યથાર્થ ધર્મ નથી, ભ્રાંતિ ધર્મ છે.

પ્રશ્શનકર્તા : પણ આ ભ્રાંતિ ધર્મની જરૂર તો છે ને ?

દાદાશ્રી : હા, 'ડેવલપ' થવા માટે જરૂર છે. ખંડાઈ ખંડાઈને આગળ વધવાનું છે. જેમ ખંડાય, પીસાય તેમ બુદ્ધિ વધે. જેમ બુદ્ધિ વધે તેમ બળાપો વધતો જાય એટલે સ્વધર્મનું શરણું ખોળે.

પરોક્ષ ધર્મ : પ્રત્યક્ષ ધર્મ !

આ જગતનો કુદરતી નિયમ શું છે કે તમારા પોતાનાં ફળ બીજાને આપો તો કુદરત તમારું ચલાવી લેશે. આ જ ગુહ્ય સાયન્સ છે. આ પરોક્ષ ધર્મ છે. પછી પ્રત્યક્ષ ધર્મ આવે છે. આત્મધર્મ છેલ્લે આવે મનુષ્યજીવનનો હિસાબ આટલો જ છે. અર્ક આટલો જ છે કે મન-વચન-કાયા પારકા માટે વાપરો.

ધર્મ : ભેદ સ્વરૂપે, અભેદ સ્વરૂપે !

દુનિયામાં ધર્મ બે પ્રકારના હોય : એક, આત્મા-પરમાત્માને અભેદ સ્વરૂપે ઓળખવા. તે એક પ્રકારનો ધર્મ છે. બીજો, આત્મા-પરમાત્માને ભેદ સ્વરૂપે ઓળખવા, એટલે હું અને ભગવાન બે જુદા છીએ એ રીતે ઓળખવા તે.

પહેલા પ્રકારનો ધર્મ એવો છે કે આત્મા એ જ પરમાત્મા છે એવું ભાન થાય. આ સાચો ધર્મ છે. ત્યાર પછી મુક્તિ મળે. પોતાનો આત્મા એ જ પરમાત્મા છે, એવું ભાન થાય ત્યારે મુક્તિ મળે. અને આત્મા-પરમાત્મા જુદા છે એવું જ્યાં સુધી ભાન છે ત્યાં સુધી પુણ્ય બંધાય કે પાપ બંધાય ને એટલે કારણ શરીર ઉત્પન્ન થયા કરે ને અનંત અવતાર ભટક ભટક કર્યા કરે. ભગવાન જુદા ને હું જુદો એમ કહ્યા કરે છે, એ ભ્રાંત માન્યતા છે. ખરી રીતે ભગવાન ને તમે એક જ છો, પણ તમને એની સમજણ પડતી નથી. તમે અને પરમાત્મા એક જ છો, એવું સમજાવનાર કોઇ મળતો નથી. એ મળે તો તમને અભેદ સ્વરૂપનું ભાન કરાવે. આ ભગવાન જુદો લાગે છે એ તમારી નબળાઇઓ છે. માટે જ તમે જીવ સ્વરૂપે છો. અને ભગવાનમાં નબળાઇ નથી એટલે તમારી નબળાઇઓ જશે, તો પછી ભગવાન સ્વરૂપનો નિરંતર સાક્ષાત્કાર રહેશે.

આ તો લોકો 'ચંદુ, ચંદુ' કર્યા કરે એટલે એને અસર થઇ જાય કે, 'હું ચંદુ છું.' આ ભ્રાંતિની અસર પછી ખસતી નથી. બાકી પોતે જ પરમાત્મા છે !

તરણતારણ જ તારે !

પ્રશ્શનકર્તા : એ પરમાત્માના 'સ્ટેજે' જવા શું કરવું પડે ?

દાદાશ્રી : એના માટે 'જ્ઞાની પુરુષ'ની પાસેથી કૃપા પ્રાપ્ત કરવી જોઇએ. જો ધીમે ધીમે એ સ્ટેજે જવું હોય તો 'જ્ઞાની પુરુષ' પાસેથી આજ્ઞા લેવી જોઇએ અને જો કૃપા પ્રાપ્ત કરે તો એ પદ કલાકમાં જ મળી જાય. અને નહીં તો ધીમે ધીમે, ધીમે ધીમે જવું. જેને બહુ ઉતાવળ ના હોય, હજી ઇન્દ્રિયોના રસ ભોગવવાની ઇચ્છા રહી હોય, સંસારની ઇચ્છાઓ રહી હોય તે ધીમે ધીમે જાય અને જેને આ સંસારમાં સુખમાં ય દુઃખ લાગ્યા કરતું હોય, સુખે ય સહન થતું ના હોય તો પછી એ 'મુક્તિ'નો અધિકારી થઇ ગયો. 'જ્ઞાની પુરુષ' પછી એને મુક્તિ આપે છે. કારણ કે 'જ્ઞાની પુરુષ' પોતે તરણતારણ થયેલા છે, પોતે તર્યા છે અને અનેક લોકોને તારવાને સમર્થ છે.

શુભાશુભ કર્મથી પર, પરમાત્મા !

પ્રશ્શનકર્તા : પરમાત્મા સુધી પહોંચવા માટે ધર્મને બાજુએ રાખી અને સારાં કર્મો જ કરીએ તો પછી પરમાત્મા સુધી પહોંચી શકાય કે નહીં ?

દાદાશ્રી : ના, કર્મને ને આને લેવા-દેવા નથી. સારાં કર્મો કરો એટલે ધર્મ થાય, બીજું કશું નહીં. ખરાબ કર્મ કરો તો અધર્મ થાય. તમે સારાં કર્મો કરો, લોક કહે કે, બહુ સારા માણસ છે.

અને ધર્મ-અધર્મની પાર જવાનું એ આત્મધર્મ કહેવાય. એ સારા કર્મ કરો એટલે ક્રેડિટ ઉત્પન્ન થાય અને એ ક્રેડિટ ભોગવવા જવું પડે. ખરાબ કર્મ કરો એટલે ડેબિટ ઉત્પન્ન થાય અને એ ડેબિટ ભોગવવા જવું પડે. અને જ્યાં ચોપડીમાં ક્રેડિટ-ડેબિટ નથી, ત્યાં આત્મા પ્રાપ્ત થાય. બિલકુલેય એક ડોલરેય ક્રેડિટ નથી અને એક ડોલરેય ડેબિટ નથી તો આત્મા પ્રાપ્ત થાય.

ધર્માધર્મ, એ એક કલ્પના !

આ ધર્મો તે કેવા છે ? અધર્મને ધક્કા મારવા, એનું નામ ધર્મ ? ધર્મ એકલાને સંગ્રહી રાખવાનો ને અધર્મને ધક્કા મારવાના. કોઈને ધક્કા મારીએ, તે કંઈ સારું કહેવાય ?

પ્રશ્શનકર્તા : અધર્મને ધર્મમાં બદલી લેવો જોઈએ.

દાદાશ્રી : આ ધર્મ અને અધર્મ એ બેઉ કલ્પિત જ છે ને ? આપણે કલ્પનાથી બહાર નીકળવું છે કે કલ્પિતમાં રખડવું છે ? કલ્પિત તો અનંત અવતારથી ભટક ભટક કરાવે. ધર્મ એટલે કોઈને સારું કરવું, જીવમાત્રને સુખ આપવું. પણ સુખ આપનાર કોણ ? ત્યારે કહે, 'ઇગોઇઝમ'. ધર્મનું ફળ ભૌતિક સુખ-શાંતિ મળે અને અધર્મનું ફળ ભૌતિક અશાંતિ રહે. પણ આવા ધર્મ કરતાં પણ જાનવરમાં જવું પડે. જાનવરમાં શી રીતે જાય ? અણહક્કનું ભેળું કરવાના વિચારો આવે તે પાશવતાની નિશાની. એનાથી પશુયોનિ બંધાય. હક્કનું ભોગવો; હક્કની સ્ત્રી, હક્કના છોકરાં, હક્કના બંગલા ભોગવો, એ મનુષ્યપણું કહેવાય અને પોતાના હક્કનું બીજાને આપી દે, એ દેવપણું કહેવાય.

ધર્મ : ત્યાગમાં કે ભોગમાં ?

પ્રશ્શનકર્તા : ધર્મ એ ત્યાગમાં છે કે ભોગમાં છે ?

દાદાશ્રી : ધર્મ ત્યાગમાં ય ના હોય ને ભોગમાં ય ના હોય, બન્ને વિપરીત માન્યતાઓ છે. ત્યાગવાળો પાછો ગ્રહણ કરે. આપણામાં કહેવત છે ને કે 'ત્યાગે સો આગે' ? એટલે જેટલો ત્યાગ કરશો એનું અનેકગણું થઇને પાછું આવશે અને ગ્રહણ કર્યું તો એને પાછી ગ્રહણની અડચણો આવશે એટલે એને પાછી ત્યાગ કરવાની ભાવના થશે. કારણ કે બહુ ગ્રહણ થઇ જાય એટલે કંટાળો આવે.

પ્રશ્શનકર્તા : એટલે ત્યાગવું કે ના ત્યાગવું ?

દાદાશ્રી : ત્યાગવું કેટલું ? આપણા માથે જેટલો બોજો ઊંચકી શકાય એટલા બોજાની જરૂર ને વધારાનો ત્યાગ કરી દેવો જોઇએ. એના બદલે લોકો બોજો વધાર વધાર કરે છે. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થાય એવું હોય તો એટલો વધારાનો માલ ત્યાગી દેવો. ત્યાગ એનું નામ કહેવાય કે એ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના કરાવડાવે.

સંસારીઓનાં દુઃખો પોતાને હો અને પોતાનાં સુખો સંસારીઓને હો એવી ભાવના રહેતી હોય તે ત્યાગી કહેવાય. જો પોતે જ અશાતામાં રહેતો હોય, તો તે બીજાને સુખ શી રીતે આપે ? આ (સાચો) ધર્મમાર્ગ હોય તો ય શાંતિ રહે.

ભગવાને ધર્મ શેને કહ્યો છે ? ત્યાગને ધર્મ નથી કહ્યો. કષાયરહિત થવંુ એને ધર્મ કહેવાય છે. અગર મંદ કષાયીને ધર્મ કહ્યો છે. બસ આ બે જ વસ્તુને ભગવાને ધર્મ કહ્યો છે.

તમામ 'રિલેટિવ' ધર્મો દેહાધ્યાસી !

તેથી અમે કહીએ છીએ ને કે જગતના તમામ ધર્મો, બધાય દેહાધ્યાસી માર્ગ છે. દેહાધ્યાસ વધારનાર અને આપણો દેહાધ્યાસરહિત માર્ગ છે. બધાય ધર્મો કહે છે કે 'તમે તપના કર્તા છો, ત્યાગના કર્તા છો. તમે જ ત્યાગ કરો છો. તમે ત્યાગ કરતાં નથી.' 'કરતાં નથી' કહેવું એય 'કરે છે' કહ્યા બરાબર છે. એમ કર્તાપણું સ્વીકારે છે અને કહેશે, મારે ત્યાગ થતો નથી એય કર્તાપણું છે, હા. અને કર્તાપણું સ્વીકારે છે એ બધો દેહાધ્યાસી માર્ગ છે. આપણે કર્તાપણું સ્વીકારતા જ નથી. આપણા પુસ્તકમાં કોઈ જગ્યાએ 'આમ કરો' એવું ના લખેલું હોય.

આ તો કોઈ સામા થતાં નથી, સામા થાય તો આપણને એના હિસાબ જડે કે ભઈ, આ વર્લ્ડમાં કોઈ માણસ સંડાસ જવાની શક્તિ ધરાવતો નથી. તો સામો થાય તો આપણે એને સમજણ પાડીએ કે 'કેવી રીતે આમ છે, તો વગર કામના એની પાછળ શું કામ પડ્યા છો ?' તે આ હું કરું, આમ તપ કરું, આ ત્યાગ કરું એટલે લોકોને ઊંધે રસ્તે ચઢાવો છો. હું ત્યાગ કરું ને તમે ત્યાગ કરો ને બટાકા છોડો. અરે, શું કરવા વગર કામના લોકોની પાછળ પડ્યા છો. એટલે કરવાનું રહી ગયું અને ના કરવાનું કરાવડાવે છે. ના કરવાનું થતું નથી પાછું. થાય પણ નહીં અને વગર કામનો મહીં વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી (શક્તિ ને સમયનો વ્યય). કરવાનું શું છે એ જુદી વસ્તુ કરવાની છે. જે કરવાનું છે એ તો તમારે શક્તિ માગવાની છે. અને પહેલાં જે શક્તિ માગેલી છે તે અત્યારે થઈ રહ્યું છે.

આ બધું જ પરપરિણામ છે ને પાછું આપણા હાથમાં નથી, પરાશ્રિત છે. આખો વ્યવહાર પરાશ્રિત છે. પરાશ્રિતમાં ધર્મ કરવા જાય તો તે શી રીતે થાય ? છતાં એ માર્ગ છે. પણ તે જ્ઞાનીઓ હોય, તીર્થંકરો હોય તો જ બરાબર ચાલે, નહીં તો કશો અર્થ નથી. અર્થ એટલો જ કહે કે દારૂ પીએ તેના કરતાં આ કરે તે સારું છે, જેથી લપસી તો ના પડાય. બાકી પરાશ્રિત વ્યવહારમાં ક્રોધ-માન-માયા-લોભ શી રીતે બંધ થાય ? જગત એને બંધ કરવા જાય છે.

દ્રવ્ય ફળ, ભાવ બીજ !

અત્યારે જગતમાં જે ધર્મો ચાલે છે, તેની શી 'થિયરી' છે કે ભાવ ફેરવવા નહીં પણ દ્રવ્ય ફેરવવા જાય છે. લોકોને શું થાય કે દ્રવ્યનાં પ્રમાણે જ ભાવ ફર્યા કરે. ખોટું કરે તો ય ખોટાની પાછળ ભાવ નક્કી કરે કે આમ તો કરવું જ જોઈએ. એટલે આપણી શી શોધખોળ છે કે દ્રવ્યમનને જે લોકો ફેરવવા જાય એ તો ક્યારેય ફરતું જ નથી. એટલે આપણે સ્થૂળમનને બાજુએ મૂક્યું, સ્થૂળ ક્રિયાઓને બાજુએ મૂકી, દેહની તમામ ક્રિયાઓને બાજુએ મૂકી. અમે 'સ્વરૂપનું જ્ઞાન' આપીએ પછી બધો ફેરફાર થાય, નહીં તો દ્રવ્યમનના ધક્કાથી જ માણસ ચાલ્યા કરે.

જે પોતે ધર્મ કરે, તેનાં બીજ પડે. એટલે ગણધરોએ કહ્યું કે દ્રવ્યભાવ કરો. પણ આ કાળમાં દ્રવ્ય જુદું ને ભાવે ય જુદા હોય. વ્યાખ્યાન સાંભળવા બેઠો હોય તે દ્રવ્ય બહુ પુણ્યશાળી કહેવાય. પણ ત્યાં બેઠો જાતજાતના ભાવ કરી નાખે કે, આમ નફો કરું અને આમ કરું. પહેલાના કાળમાં દ્રવ્યભાવ સાચો હતો, જેવું દ્રવ્ય તેવા ભાવ હોય. કોઇને પાટો બાંધે તો તેમાં એકાકાર થઇ જાય. એટલે દ્રવ્યભાવ પૂર્યો કહેવાય. પણ આજના લોકો તો પાટો બાંધે, પણ મનમાં વિચારે કે આમાં હું ક્યાં ફસાયો! દ્રવ્યભાવ સાથેનું વર્તન એ સાચું બીજ નાખે.

જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ ને તપ !

મોક્ષના માર્ગમાં કંઇ કરવાની જરૂર નથી. તપ- ત્યાગ કશું કરવાનું હોય નહીં; માત્ર જો 'જ્ઞાની પુરુષ' મળે તો જ્ઞાનીની આજ્ઞા એ જ તપ અને આજ્ઞા એ જ ધર્મ. 'જ્ઞાની' મળ્યા પછી નવું તપ ઊભું થાય - આંતરિક તપ. આંતરિક તપથી મોક્ષ થાય અને બાહ્ય તપથી સંસાર મળે. કોઇ ગાળ આપે તો મહીં તરત જ રોકડું પ્રતિક્રમણ કરો, એ આંતરિક તપ કહેવાય.

બે જ વસ્તુથી ધર્મ !

કષાય કરવા માટેનો આ ધર્મ નથી. આ રિયલ ધર્મ છે. કષાયનો અભાવ કરવા માટેનો આ ધર્મ છે. કષાયનો અભાવ એ વીતરાગ ધર્મ કહેવાય છે. અને કષાયની જ્યાં હાજરી હોય, જ્યાં કષાયનું વાતાવરણ હોય ત્યાં રીલેટીવ ધર્મ કહેવાય. એટલે ભૌતિક સુખો આપે એ ધર્મમાં, પણ મોક્ષ સુખ ન મળે. પોતાનો આનંદ ના મળે.

કષાય નહીં કરવા અને પ્રતિક્રમણ કરવાં એ બે જ ધર્મ છે. કષાય નહીં કરવા એ ધર્મ છે અને પૂર્વકર્મના અનુસાર થઈ જાય, તેનાં પ્રતિક્રમણ કરવાં એ જ ધર્મ છે. બાકી બીજી કોઈ ધર્મ જેવી વસ્તુ નથી. અને આ બે આઈટમ જ આ બધાં લોકોએ કાઢી નાખી છે.

હવે તમે એમને અવળું કહ્યું તો તમારે પ્રતિક્રમણ કરવું પડે. પણ એમણે પણ તમારું પ્રતિક્રમણ કરવું પડે. એમણે શું પ્રતિક્રમણ કરવું પડે કે, 'મેં ક્યારે ભૂલ કરી હશે કે આમને મને ગાળ દેવાનો પ્રસંગ ઉત્પન્ન થયો ?' એટલે એમણે એમની ભૂલનું પ્રતિક્રમણ કરવું પડે. એમણે એમના પૂર્વ અવતારનું પ્રતિક્રમણ કરવું પડે ને તમારે તમારા આ અવતારનું પ્રતિક્રમણ કરવું પડે ! આવાં પ્રતિક્રમણો દિવસના પાંચસો-પાંચસો કરે તો મોક્ષે જાય.

હવે આવું ધર્મધ્યાન અને આવાં પ્રતિક્રમણ તો ઉપાશ્રયમાં યે અત્યારે તો રહ્યાં નથી ને ? પછી હવે શું થાય ? નહીં તોયે રડી રડીને ભોગવવું પડે છે જ ને ? તો એના કરતાં હસીને ભોગવે તો શું ખોટું છે ?

જો આટલું જ કરોને તો બીજો કોઈ ધર્મ ખોળો નહીં તો ય વાંધો નથી. આટલું પાળો તો બસ છે, અને હું તને ગેરન્ટી આપું છું, તારા માથે હાથ મૂકી આપું છું. જા, મોક્ષને માટે, ઠેઠ સુધી હું તને સહકાર આપીશ. તારી તૈયારી જોઈએ. એક જ શબ્દ પાળે તો બહુ થઈ ગયું.

ધર્મ શીખવાડ્યો, સંક્ષિપ્તમાં !

અમે આ કાળના માણસોને ધર્મ જાણવો હોય તો અમે એને શું શીખવાડીએ કે તારાથી ખોટું બોલાઈ જવાય તેનો વાંધો નથી, મનમાં તું જુદું બોલ્યો તેનો વાંધો નથી, પણ હવે તું એનું પ્રતિક્રમણ કર, કે ફરી આવું નહીં બોલું. પ્રતિક્રમણ કરવાનું અમે શીખવાડીએ.

'રિલેટિવ ધર્મ' કેવો હોવો જોઈએ કે જૂઠું બોલાય તો બોલ પણ તેનું પ્રતિક્રમણ કર.

પ્રશ્શનકર્તા : આપણે દરરોજ વાતો કરીએ કે આ ખોટું છે, નહોતું બોલવું છતાં એ કેમ થઈ જાય છે ? નથી કરવું છતાં કેમ થઈ જાય છે ?

દાદાશ્રી : દોઢ ડહાપણ મહીં ભરીને લાવેલા. તેથી અમે એકુંય દહાડો કશુંય કહ્યું નહીં કે આવું ના કરવું જોઈએ. જો કહ્યું હોય, તો ય ચેતે તે ઘડીએ. કહ્યું છે કોઈ દહાડો કે આવું ના કરવું જોઈએ ?

પ્રશ્શનકર્તા : અને પછી જ્યાં સુધી ઊંઘ ના આવે ત્યાં સુધી પ્રતિક્રમણો કર્યા કરીએ.

દાદાશ્રી : ખોટું કર્યું એટલે પ્રતિક્રમણ કરવાં જ પડે ને !

પ્રશ્શનકર્તા : પણ એના કરતાં ખોટું ના કરીએ તો, એમાં ટાઈમ.....

દાદાશ્રી : પણ એ ચાલે નહીં. એ તો આપણે એના ઉપરથી, મહીંથી રસ કાઢી નાખવાનો, કે આ ખોટું થઈ રહ્યું છે, આમ ના હોવું જોઈએ. આ તો ગમતું હોય તે ઘડીએ તમને ટેસ્ટ આવે. એ ના ગમતું થઈ જાય તો વાંધો નહીં. તમને પેલું ખાવું છે ને આ ના ગમતું હોય ને પછી તમે ખાતા હોય તો વાંધો નહીં.

ચોખ્ખંુ થવાના ઉપાય !

પ્રશ્શનકર્તા : શરીરના ધર્મો આચરીએ છીએ તો એનાં પ્રાયશ્ચિત્ત લેવાં પડે ?

દાદાશ્રી : હાસ્તો ને ! જ્યાં સુધી 'હું આત્મા છું' એવું ભાન ના થાય ત્યાં સુધી પ્રાયશ્ચિત્ત ના થાય તો કર્મ વધારે ચોંટે. પ્રાયશ્ચિત્ત કરવાથી કર્મની ગાંઠો હલકી થઈ જાય. નહીં તો એ પાપનું ફળ બહુ ખરાબ આવે છે. મનુષ્યપણું ય જતું રહે ને મનુષ્ય થાય તો તેને બધી જાતની અડચણો પડે. ખાવાની-પીવાની, માન-તાન તો કોઈ દહાડો દેખાય જ નહીં. કાયમનું અપમાન. એટલા માટે આ પ્રાયશ્ચિત્ત કે બીજી બધી ક્રિયાઓ કરવી પડે છે. આને પરોક્ષ ભક્તિ કહેવાય. જ્યાં સુધી આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી પરોક્ષ ભક્તિ કરવાની જરૂર છે.

હવે પસ્તાવો કોની રૂબરૂમાં કરવો જોઈએ ? કોની સાક્ષીએ કરવો જોઈએ કે જેને તમે માનતા હો. કૃષ્ણ ભગવાનને માનો છો કે દાદા ભગવાનને માનો છો, ગમે તેને માનો એની સાક્ષીએ કરવો જોઈએ. બાકી ઉપાય ના હોય, એવું આ દુનિયામાં હોય જ નહીં. ઉપાય પહેલો જન્મે છે. ત્યાર પછી દર્દ ઊભું થાય છે.

આજે દર્દો થયાં છે ને, એનો ઉપાયનો જન્મ પહેલો થઈ ગયો હોય. એટલે છોડવો ઊગી નીકળ્યો હોય, ત્યાર પછી પેલાં દર્દ ઊભાં થાય. એટલે દુનિયા તો બહુ એક્ઝેક્ટ છે. તમારે ઉપાય કરવાની જ જરૂર. ઉપાય હોય જ.

ભૂલોના પસ્તાવા...

આલોચના હંમેશાં પ્રતિક્રમણ સહિત જ હોય. અને પ્રતિક્રમણ એ તો મોટામાં મોટું હથિયાર છે. એટલે પ્રતિક્રમણનો ધર્મ જો પકડી લીધો તો તારે માથે ગુરુ નહીં હોય તો ય ચાલશે. એટલે દાદા પાસે આટલું શીખ્યા તો બહુ થઈ ગયું. આમાં બધું આવી ગયું. જ્યાં કંઈ ભૂલ થાય ત્યાં દાદાની પાસે માફી માંગી લેવી. એટલા ગુનામાંથી મુક્ત થઈ ગયા. આ કંઈ છે અધૂરું ? દાદા, કંઈ ઉપવાસ કરવાનું કહે છે કે કેમ ભૂલ કરી ? માટે ઉપવાસ કરજો. એવું કહે તો તો લોક જાણે કે દાદાએ અમને ભૂખે મારી નાખ્યા, પણ દાદા એવું ભૂખે નથી મારતા ને ? કોઈ ગાળ ભાંડે અને અસર થાય તો પોતાની જાતની જ ભૂલ છે એવું પોતાને લાગ્યા કરે અને પોતે પ્રતિક્રમણ કર્યા કરે તો એ ભગવાનનું મોટામાં મોટું જ્ઞાન છે. આ જ મોક્ષે લઈ જાય. આટલો શબ્દ, અમારું એક જ વાક્ય જો પાળે ને તો મોક્ષે જતો રહે. બીજું બધું શું કરવાનું ?

જે માણસ પાપ કરે ને એ જો પસ્તાવો કરે તો એ બનાવટી પસ્તાવો કરી શકતો જ નથી. અને સાચો જ પસ્તાવો હોય અને પસ્તાવો સાચો હોય એટલે એની પાછળ એક ડુંગળીનું પડ ખસે, પછી ડુંગળી તો આખી ને આખી દેખાય પાછી. ફરી પાછું બીજું પડ ખસે. હંમેશાં પસ્તાવો નકામો જતો નથી. દરેક ધર્મે પસ્તાવો જ આપ્યો છે. ક્રિશ્ચિયનને ત્યાં ય પસ્તાવો જ કરવાનો કહ્યો છે.

દરેકના ધર્મમાં માફીનું બતાવેલું હોય છે. ક્રિશ્ચિયન, મુસ્લિમ, હિન્દુ, બધામાં હોય પણ જુદી જુદી રીતે હોય. દરેક ધર્મમાં પસ્તાવાથી શરૂઆત છે. ક્રિશ્ચિયન, મુસ્લિમ, બધામાં ને આપણે અહીં પ્રતિક્રમણ હોય.

બાકી આ બધું જગત વિકલ્પ છે ! મુસલમાનોય કાનમાં આંગળી ઘાલીને બૂમાબૂમ કરી મેલે છે, તે ય ખરું છે અને અંગ્રેજો શું કરે ? ચર્ચમાં ગયેલા કે નહીં ? કેમ વાંધો શો હતો તે ? તમે કાળો કોટ પહેરીને મહીં પેઠા કે કોઈ પૂછનાર જ નહીં ને ? એ લોકો રવિવારનો દહાડો આવે ને ? તે છ દહાડાની જે ભૂલો થઈ હોય ને, તે રવિવારે માફી માંગ માંગ કરે, પશ્ચાતાપ કર્યા કરે.

વચલા બાવીસ તીર્થંકરોનાં શિષ્યો તો એવાં વિચક્ષણ હતા, તે ક્ષણે ક્ષણે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરતાં. આ તો એવાં છે તે બાર મહિનેય પ્રતિક્રમણ પાંસરું ના કરે. બાર મહિનેય 'મિચ્છામિ દોકડો' બોલી આવે. આને ધર્મ કહેવાય ?

આને ધર્મ કહેશો તો અધર્મ શાને કહેશો ? આ અધર્મને ધર્મ કહી રહ્યા છો ને એને ધર્મ સમજે છે. બીજાની ભૂલ ખોળી આપે કે તમે બધું ખોટું કરી રહ્યા છો. પોતાની જોડે કોઈ કપટ કરતો હોયને તો કહેશે, તમે અધર્મ કરી રહ્યા છો. લુચ્ચાઈ કરતો હોય તો કહેશે, કે તમે અધર્મ કરી રહ્યા છો. તો આપણે કહીએ, 'તું તે લખ' કે આને ધર્મ કહેવાય. પણ ના, ભાન જ નથી ને ! હજુ આત્મા છે એટલે બીજાની ભૂલો તરત ખબર પડી જાય છે. હું જ કોઈ ધર્મસ્થાનમાં બેઠો હોઉં, તે આપણે બધાં ગયાં હોય તો ત્યાં મારા ચાર-પાંચ દોષો તો જોઈ જ નાખે કે, માથે વાળ રાખવાની શી જરૂર છે ? વાળ ઓળવાની શી જરૂર છે ? હાથે વીંટી શા માટે પહેરે છે ? આ માળા (હાર) શાને પહેરે છે ? બધી ભૂલો ખોળી કાઢે. કારણ કે દ્રષ્ટિ બધી બગડી છે. કરુણા ખાવા જેવું છે. એ તો છંછેડે ત્યારે ખબર પડે. છંછેડે ત્યારે આપણા મહાત્મા જરા ઊંચા-નીચા થાય પણ પછી પાછું જ્ઞાન એને ઠેકાણે લાવી દે. ને પેલાને ઠેકાણે ના આવે. પેલો મોઢે બોલતાં બીક લાગતી હોય તો અંદરથી માર માર કરે. એટલે છંછેડે ત્યારે ખબર પડે.

અક્રમ વિજ્ઞાન : નવો જ અભિગમ !

આખો સંસાર ગેરસમજનું કારણ છે. હું લોકોને કહું કે 'દયા રાખો, શાંતિ રાખો, સત્ય બોલો.' તો લોક મને કહેશે કે 'તમે જ દયા રાખો, અમારાથી નથી થતું.' હજારો વર્ષોથી શાસ્ત્રોયે એજ ગા ગા કરે છે કે 'સાચું બોલો, દયા રાખો, શાંતિ રાખો, ક્રોધ ના કરો' ત્યારે લોક કહે છે કે, 'અમારે લાખ સાચું બોલવું છે પણ સાચું બોલાતું નથી. લાખ ક્રોધ કરવો નથી પણ થઇ જાય છે. માટે તમારાં શાસ્ત્રો કામનાં નથી.' એમ કરીને લોકોએ પુરાણો-શાસ્ત્રોને અભેરાઇ ઉપર ચઢાવી દીધાં છે. અમે જગતને નવું જ 'સાયન્સ' આપવા માગીએ છીએ. દયા રાખવી, શાંતિ રાખવી, સત્ય બોલવું એ બધી 'ઇફેક્ટસ' છે. લોકોની પાસે 'ઇફેક્ટસ'નું જ્ઞાન છે. કોઇની પાસે 'કોઝિઝ'નું જ્ઞાન જ નથી, એ અજ્ઞાન છે. અમે 'કોઝિઝ'નો ફોડ આપવા માંગીએ છીએ. જગત પરિણામ ફેરવવા માંગે છે. હવે એ પરિણામ શી રીતે ફરશે, જ્યાં બધા જ ફરી ગયા છે ! એ તો પહેલાં સેકડે પાંચ ટકા હોય ત્યારે લોકો કહેતા હતા કે, 'ભાઈ, આપણે આચાર શુદ્ધ કરો, આચાર શુદ્ધ કરો.' આ તો પંચાણું ટકા આચાર બધા બગડી ગયા છે, તેનું શું થાય તે ? નાદારી નીકળી છે જ્યાં આચારની ત્યાં ! તે આપણે આ નવી શોધખોળ કરી છે ! અને તે ય ખરેખર જે 'ડિસ્ચાર્જ' છે એને 'ચાર્જ' માને છે. તે આપણે કાઢી નંખાવ્યું કે ભઈ, 'ડિસ્ચાર્જ'ને 'ચાર્જ' માનીને શું અર્થ છે ? મિનીંગલેસ વાત. આચાર વચ્ચે ધર્મમાં આવતો જ નથી. જો તમે 'આચાર હું કરું છું' એમ કહેશો તો આચાર ફરી ઊભો થશે. એટલે ધર્મ ઊભો થશે. પણ શુદ્ધતા નહીં આવે. શુદ્ધતા 'ડિસ્ચાર્જ'માં નહીં આવે.

એટલે કાળને અનુરૂપ જ્ઞાન આપો. આપણે એવી વાત કરીએ કે પહેલાં બાર આને મણ બાજરી મળતી હતી. એવી વાતો મોટું લાઉડ સ્પીકર લઈને બોલ બોલ કરીએ કે આપણા દેશમાં તો ઘણો મોલ હોય છે, બાર આને મણ બાજરી મળતી હતી. ફરી બાર આને મણ બાજરી મળશે. ત્યારે લોક શું કહેશે અલ્યા ! એવી વાત ના કરીશ. આ કાળને અનુરૂપ વાત નથી. એવી રીતે આ બધાં શાસ્ત્રો કાળને અનુરૂપ નથી.

'ઓપન ટુ સ્કાય' કરે, તેનું નામ જ્ઞાન. જ્ઞાન તો ક્રિયાકારી હોવું જોઇએ. અનુભવજન્ય જ્ઞાન હોય તો જ ક્રિયાકારી થાય. બાકી પુસ્તકોના જ્ઞાનથી તો રઝળ્યા જ છે. 'રિલેટિવ' ધર્મ કેવો હોવો જોઇએ કે જે પરિણામ લાવે.

બધા ધર્મોનો કુદરતી રીતે ફેરફાર થવાનો છે અને આ 'અક્રમ માર્ગ' તો એવો સરળ રસ્તો કાઢશે કે ધર્મ બધાને એકદમ સહેલો લાગે અને તરત તેનું ફળ મળે. ધર્મ કોનું નામ કહેવાય ? જે પરિણામ પામે તે ધર્મ, જેમ આપણે દૂધપાક ખાઇએ ત્યાર પછી આપણી ભૂખ શમે એમ અમે જે 'સ્વરૂપ જ્ઞાન' આપીએ છીએ, તેનાથી કોઇ કાળે કોઇ અવતારમાં ના થઇ હોય તેવી અંતરશાતા થાય છે. બાહ્ય અશાતા ભલે હોય, પણ અંતરશાતા નિરંતર રહે. જગતમાં બાહ્ય શાતા હોય પણ અંતરશાતા કોઇને ય ના હોય.

આપણું 'સાયન્સ' શું કહે છે કે તું ચોરી કરે કે તારાથી જૂઠું બોલાય તેનો અમને વાંધો નથી, પણ તેનું તું 'આ રીતે' પ્રતિક્રમણ કરજે. અમે ચોરને એમ ના કહીએ કે તું ચોરી ના કર. અમે તેને કહીએ કે તું ચોરી કરે છે તેનું આ ફળ છે માટે સમજી લેજે. આ ચોરી કરે છે, જૂઠું બોલે છે, ક્રોધ કરે છે, બધું ફરજિયાત કરે છે. એમાં એને વઢીએ કે આમ કેમ કરે છે તો તે વધારે કરશે અને મનમાં પાછો ચોર નક્કી કરે કે 'ચોરી તો કરીશ જ. તું કોણ વઢનારો મને !' માટે પ્રેમથી સમજાવો. પ્રેમથી બધા જ રોગ જાય. શુદ્ધ પ્રેમ 'જ્ઞાની પુરુષ' પાસેથી કે એમના 'ફોલોઅર્સ' પાસેથી મળે.

ક્રોધ સામે ક્ષમા, કપટ સામે ઋજુતા, માન સામે માર્દવતા જોઇશે. ક્રોધ થાય તો થવા દેજે. માન-લોભ થાય તો થવા દેજે પણ તેનું પ્રતિક્રમણ કરીને ફેરવી નાખજે. તેનાથી ઊંચામાં ઊંચું ધર્મધ્યાન થાય. કુચારિત્રના વિચાર આવે તો તેનો વાંધો નથી, તેનાથી ગભરાઇશ નહીં. પણ તેનું પ્રતિક્રમણ કરજે. આ લિફ્ટ માર્ગ છે. એનાથી સપાટાબંધ આગળ વધાય. ધર્મધ્યાનમાં આવે ત્યારથી વ્યવહાર સમકિતના ઓળા દેખાય. કુચારિત્રનો વિચાર આવે તો આપણે કહીએ, 'આવો. ચા પીવો, તમે આવ્યા, હવે 'જ્ઞાની પુરુષ' બતાવે એવું હું કરીશ.' આ ચોથા પાયાનું ધર્મધ્યાન કહેવાય.

પ્રત્યેક ધર્મે પ્રરૂપ્યું પ્રતિક્રમણ !

જૈન ધર્મનું ઊંચામાં ઊંચું ગૂઢ તત્ત્વ હોય તો આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન. એ મોટામાં મોટું છે. જો કે બીજા લોકોના ધર્મમાં છે પણ તે કેવું ? બાધે ભારે ક્ષમા માંગવામાં આવે છે. એવું દરેક ધર્મમાં છે પણ તે કેવું ? મુસ્લિમ ધર્મમાં છે, ક્રિશ્ચિયન ધર્મમાં છે. ક્ષમા માંગવાનો રિવાજ તો બધેથી ચાલ્યો આવ્યો છે પણ જે વીતરાગોએ બતાવ્યો છે. આલોચના- પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન એટલે ગુરુની હાજરી થકી આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન એ બહુ સાયંટિફિક(વૈજ્ઞાનિક) વસ્તુ છે. તરત ફળ આપનારી છે. ક્ષમા માંગવાથી તો પાપ ઓછાં થાય એટલું જ અને આ પ્રતિક્રમણથી તો પાપ ખલાસ થઈ જાય.

ભગવાને કહ્યું છે કે, આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એ સિવાય વ્યવહારધર્મ જ બીજો નથી. પણ તે કેશ હોય તે, ઉધાર નહીં ચાલે. ગાળ કોઈને આપીએ, આ હમણે થયું તે લક્ષમાં રાખ, કોની જોડે શું થયું તે ? અને પછી આલોચના કરી, પ્રતિક્રમણ- પ્રત્યાખ્યાન કેશ કર. એને ભગવાને વ્યવહાર-નિશ્ચય બેઉ કહ્યું. પણ એ થાય કોને ? સમકિત થયા પછી, ત્યાં સુધી કરવું હોય તોય ના થાય. તે સમકિત થતુંય નથી ને ! છતાંય કોઈ આલોચના-પ્રતિક્રમણ- પ્રત્યાખ્યાન આપણે ત્યાં શીખી જાય, તોય કામ કાઢી નાખે. ભલે નોંધારું શીખી જાય તોય વાંધો નથી. એને સમકિત સામું આવીને ઊભું રહેશે. જેનાં આલોચના-પ્રતિક્રમણ સાચાં હોય, તેને આત્મા પ્રાપ્ત થયા વગર રહે જ નહીં.

આના પર ખડો સિદ્ધાંત, ભગવાન મહાવીરનો !

આપણે જેનાં પ્રતિક્રમણ કરીએ ને તેને આપણા માટે કંઈ ખરાબ તો ના હોય, પણ માન ઉત્પન્ન થાય અને પ્રતિક્રમણ થઈ ગયા એટલે ગમે તેટલું વેર હોય તો ય છૂટી જાય, આ ભવમાં જ !!! આ એક જ ઉપાય છે. આ ભગવાન મહાવીરનો સિદ્ધાંત આખો, પ્રતિક્રમણ ઉપર જ ઊભો રહેલો છે. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન ! જ્યાં આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન નથી ત્યાં ધર્મ જ નથી. હવે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન જગતના લોકોને યાદ રહે નહીં. તમે શુદ્ધાત્મા થયા છો, એટલે તમને તરત યાદ આવે.

- જય સચ્ચિદાનંદ