લક્ષ્મીનો વ્યવહાર, જ્ઞાનીની સમજણે સંપાદકીય જીવન વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે કેટલાંક પાસે અઢળક લક્ષ્મી હોય છે, જ્યારે અમુક લોકો પાસે મહેનત કરવા છતાં પણ લક્ષ્મી આવતી નથી. હવે એનું શું રહસ્ય હશે ? લક્ષ્મીની જરૂરિયાત તો બધાને જ હોય છે. પરંતુ એના આવાગમનના ગૂઢ રહસ્યોનો ભાગ સામાન્ય દ્ષ્ટિથી કેમ કરીને પામી શકાય ? લક્ષ્મીજી આવે છે ક્યા હિસાબે, તે અંગેનો વ્યવહાર કેવો હોવો જોઈએ તેમજ મનુષ્યના જીવનમાં લક્ષ્મીજીનું મહત્વ કેટલું હોવું જોઈએ તે અંગેની સચોટ અને સૈદ્ધાંતિક સમજણ અનુભવી આત્મજ્ઞાની સિવાય કોણ આપી શકે ? આ કાળના મહાન જ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) કહેતા કે લક્ષ્મીજી આખી દુનિયામાનાં વ્યવહારનું નાક કહેવાય. માટે લક્ષ્મી પ્રત્યેનો વિનય-વિવેક ક્યારેય ના ચૂકાવો જોઈએ. લક્ષ્મીને ક્યારેય તરછોડ ના મરાય. લક્ષ્મીને રાજી કરવા હોય તો નારાયણમાં પ્રીતિ રાખવી જોઈએ. પૈસા એ સંપૂર્ણ સત્ય નથી પણ સાપેક્ષ સત્ય છે. લક્ષ્મી બુદ્ધિથી નથી આવતી પણ પુણ્યૈથી પ્રાપ્ત થાય છે. પૈસા પૂરણ-ગલન થાય છે અને એનું આવન-જાવન કુદરતી સત્તાને આધીન છે. સાચી લક્ષ્મીથી જીવનમાં સુખ-શાંતિ વર્તાય. હક્કની જ લક્ષ્મી લેવાય ને ખોટી લક્ષ્મી ના લેવાય. લક્ષ્મી સારા રસ્તે વપરાય તે પુણ્યૈ કહેવાય. ખોટે રસ્તે જતી લક્ષ્મીનો કંટ્રોલ અને સારે રસ્તે જતી હોય તો ડીકંટ્રોલ કરી નાખવાનો. લક્ષ્મી માટે કોઈની જોડે વેર ના બંધાય એની જાગૃતિ રહેવી જોઈએ. આવાં અનુભવસિદ્ધ વચનો જગતના વ્યવહારિક દ્ષ્ટિકોણને એક નવો જ અભિગમ બક્ષે છે ! દાદાશ્રી કોન્ટ્રાક્ટના ધંધામાં ઘણું કમાયા છતા ક્યારેય પણ લક્ષ્મીનો વ્યય થવા નથી દીધો, પૈસા ખોટી રીતે વાપરવામાં, ભેગા કરવામાં કે પૈસા ગણવા માટે ઉપયોગ નથી બગાડ્યો અને છતાંય જરૂરિયાતના સમયે જાગૃતિપૂર્વક બધો જ વ્યવહાર કર્યો. જીવન પર્યંત પોતાની કમાણીમાંથી જ જીવન જીવ્યા. ક્યારેય કોઈના પૈસા લીધા નથી કે નથી કદી પૈસા માટે હાથ લંબાવ્યો. જ્ઞાન થયા પછી લોકો પૈસા આપવા આવે તો કહેતા કે હું તમારા પૈસા નહીં, પણ તમારા દુઃખો લેવા આવ્યો છું. તમારા પૈસાની મારે જરૂર નથી. તમારા પૈસા તમારી પાસે રાખો અને વધારે હોય તો ધર્માદામાં વાપરો, ભગવાન માટે વાપરો. તે તમને જ કામ આવશે. તેઓ સંપૂર્ણ સ્વચ્છ જીવન જીવ્યા એ જગત માટે એક આદર્શ ઉદાહરણરૂપ છે. 'સ્વચ્છ' એટલે પૈસાની, કીર્તિની, માનની, વિષયની, દુનિયાની કોઈ ચીજની ભીખ ના હોય, ને તો જ લોકોનું કલ્યાણ થાયને ! અનેકોના કલ્યાણનું પરમ નિમિત્ત 'દાદાશ્રી'ના શ્રીમુખે વહેલી આ અનુપમ મૌલિક વાણીનો સાર ગ્રહણ કરવાથી પ્યૉરિટિના માર્ગે આગળ વધાશે અને પોતાનું તો કલ્યાણ થશે પણ સાથે સાથે લોકોના કલ્યાણનું પણ નિમિત્ત બનાશે એ નિઃસંદેહ છે. દીપક દેસાઈ લક્ષ્મીનો વ્યવહાર, જ્ઞાનીની સમજણે પ્રીતિ, લક્ષ્મીની કે નારાયણની ? પ્રશ્શનકર્તા : દાદા, આપની દ્ષ્ટિએ આદર્શ અને આધ્યાત્મિક જીવન જીવવા માટે લક્ષ્મીનું મહત્વ કેટલું ? દાદાશ્રી : આખા જગતે જ લક્ષ્મીને મુખ્ય માની છે ને ! હરેક કામમાં લક્ષ્મી જ મુખ્ય છે એટલે લક્ષ્મી ઉપર જ વધારે પ્રીતિ છે. લક્ષ્મી ઉપર વધારે પ્રીતિ હોય ત્યાં સુધી ભગવાન ઉપર પ્રીતિ ના થાય. ભગવાન ઉપર પ્રીતિ થાય પછી લક્ષ્મીની પ્રીતિ ઊડી જાય. બેમાંથી એક ઉપર પ્રીતિ બેસે, કાં તો લક્ષ્મી જોડે ને કાં તો નારાયણ જોડે. તમને ઠીક લાગે ત્યાં રહો. લક્ષ્મી રંડાપો આપશે. મંડાવે તે રંડાવે પણ ખરું ! ને નારાયણ મંડાવે નહીં ને રંડાવે પણ નહીં; નિરંતર આનંદમાં રાખે, મુક્તભાવમાં રાખે. લક્ષ્મીનો પ્રતાપ કેટલો સુંદર છે, નહીં ? લક્ષ્મી, સોનું બધું એમાં એકમાં જ આવી ગયું. બીજી કોઈ એવી ચીજ છે, બધું ભૂલાડી દે એવી ? એકાગ્ર કરાવડાવે એવી ? પ્રશ્નકર્તા : ખ્યાલ નથી આવતો. દાદાશ્રી : નહીં ? સ્ત્રી અને લક્ષ્મી, આ બે બધુંય ભૂલાડે. ભગવાન તો યાદ જ ના આવવા દે. આ તમને થોડા યાદ આવે છે, પણ એકાગ્રતા કેવી રીતે થાય ? ભગવાન ઉપર ભાવ જ નથી ને ! કાયદો કેવો ? રુચિ ત્યાં એકાગ્રતા. રુચિ ના હોય તો એકાગ્રતા કેમ થાય ? જ્યાં પ્રીતિ હોય ત્યાં એકાગ્રતા રહે જ. ભગવાન ઉપર પ્રીતિ નથી. એટલી જ પ્રીતિ જો ભગવાન ઉપર થાય તો તેમાં એકાગ્રતા રહે. પરાણે ભગવાન જોડે પ્રીતિ કરવા જઈએ એમાં શું વળે ? લક્ષ્મીજીનો વ્યવહાર છે ત્યાં સુધી એની પણ જરૂર રહે છે, તેની ના નથી. તેની મહીં તન્મયાકાર ના થવાય. તન્મયાકાર નારાયણમાં થાવ, લક્ષ્મીજી એકલાંની પાછળ પડીએ તો નારાયણ ચિઢાયા કરે. લક્ષ્મીજી કંઈ જેવી તેવી વસ્તુ છે ? પ્રશ્નકર્તા : તો પૈસા ઉપરની પ્રીતિ હટાવવી કેવી રીતે ? દાદાશ્રી : એ તો બેમાંથી કઈ કિંમત વધારે છે, એ કિંમત બધા લોકોને પૂછવી કે પૈસાની કિંમત વધારે છે કે ભગવાનની કિંમત વધારે છે ?! જેની કિંમત હોય ત્યાં પ્રીતિ કરો. અમારે પૈસાની જરૂર નહીં. કારણ કે અમારે ભગવાનની પ્રીતિ; ચોવીસેય કલાક ભગવાનની જોડે રહેવાનું. એટલે અમને પૈસાની પ્રીતિ ના હોય. કિંમત, અલૌકિક સુખની જ આ ભૌતિક સુખ કરતાં અલૌકિક સુખ હોવું જોઈએ કે જે સુખમાં આપણને તૃપ્તિ વળે. આ લૌકિક સુખ તો અજંપો વધારે ઊલટો ! જે દહાડે પચાસ હજારનો વકરો થાય ને, તે ગણી ગણીને જ મગજ બધું ખલાસ થઈ જાય. મગજ તો એટલું બધું અકળામણવાળું થઈ ગયું હોય કે ખાવાપીવાનું ગમે નહીં. કારણ કે મારેય વકરો આવતો હતો, તે મેં બધો જોયેલો, આ મગજમાં કેવું થઈ જતું તે ! આ તો મારા અનુભવની બહાર નથી ને કંઈ ? હું તો આ (સંસાર) સમુદ્રમાંથી તરીને બહાર નીકળ્યો છું. એટલે હું બધું જાણું છું કે તમને શું થતું હશે ? લક્ષ્મીજીને આંતરાય ? અમને તો લક્ષ્મીજી ક્યારેય સાંભરે નહિ. સાંભરે કોને કે જેણે દર્શન ના કર્યા હોય તેને. પણ અમારે તો મહીં લક્ષ્મી અને નારાયણ બેઉ સાથે જ છે. આપણામાં કહેવત છે ને કે 'બાબો હશે તો વહુ આવશે ને !' 'નારાયણ' છે ત્યારે લક્ષ્મીજી આવશે જ. આપણે તો ખાલી આપણા ઘરનું એડ્રેસ (સરનામું) જ વિનયથી આપવાનું હોય. લક્ષ્મીજી વિનય માગે છે. જ્યાં ભગવાન છે ત્યાં જાહોજલાલીની શી ખોટ ? લક્ષ્મીજી કોઈની આંતરી આંતરાય તેમ નથી. લક્ષ્મીજી તો ભગવાનની પત્ની છે. મૂઆ, તેનેય તું આંતર આંતર કરે છે ? પહેલા આણામાં આવેલી વહુને જો આંતરી હોય ને પછી પિયર જવા ના દે તે શી દશા થાય બિચારીની ? તેવું લોકોએ આ લક્ષ્મીજી માટે કરવા માંડ્યું છે. તે લક્ષ્મીજી યે હવે કંટાળ્યાં છે. પૈસા એ સાપેક્ષ સત્ય આ વ્યવહાર સત્ય તે બધું સાપેક્ષ છે, સૌ સૌને આધીન. તમે છે તે પૈસા ખોળવાવાળા, તે કમાવામાં નાખો અને હું તો પૈસા અડું જ નહીં. પૈસા સંપૂર્ણ સત્ય નથી, એ સાપેક્ષ સત્ય છે. એકવાર મુંબઈમાં બધી બહેનોએ અછોડા કાઢી આપ્યા તો મેં કહ્યું કે મારે કામનું નહીં. તમારે જો મોહ હોય તો રહેવા દેજો. મારે કંઈ તમારા જોઈતા નથી. ત્યારે કહે, ના, અમારો આટલો ભાવ કર્યો છે. તે આપી દેવું છે, તો મેં કહ્યું કે તમારી મરજીની વાત. ત્યારે કહે, સીમંધર સ્વામી ભગવાનના મુગટ કરવા માટે આપવાનો ભાવ કર્યો છે. તો મેં કહ્યું, આપી દો તમે. બાકી અમારે કશું જોઈએ નહીં. તેને મળે જગતનાં સર્વ સૂત્રો અમને ભીખ ના હોય. ભીખ હોય ત્યાં ભગવાન હોય જ નહીં. લક્ષ્મીની ભીખ હોય, માનની ભીખ હોય, ત્યાં ભગવાન હોય જ નહીં. જેને ભીખ સર્વસ્વ પ્રકારની ગઈ, તેને આ જગતનાં તમામ સૂત્રો હાથમાં આપવામાં આવે છે, પણ ભીખ જાય તો ને ! કેટલા પ્રકારની ભીખ, લક્ષ્મીની ભીખ, કીર્તિની ભીખ, વિષયોની ભીખ, શિષ્યોની ભીખ, દેરાં બાંધવાની ભીખ, બધી ભીખ, ભીખ ને ભીખ છે, ત્યાં આપણું દળદર શું ફીટે ? અહીં મિલકત (લક્ષ્મી) હોય તેને એટલી જ મિલકત અને તેય આખી મિલકત ના હોય ને ! અહીં અમુક આટલો જ (થોડોક) ભાગ મિલકતનો રહ્યો હોય અને અહીં (અધ્યાત્મમાં) પેલી બધી મિલકત નહીં હોય તો આખા બ્રહ્માંડની મિલકત એની પોતાની. એટલે કોઈ મિલકતનો માલિક હું નથી. ખરું સુખ શેમાં ? ભગવાનની ભાષામાં સંપત્તિ કોને કહેવાય છે ? જે સંપત્તિ ગુણાકારવાળી હોય તેને ! ગુણાકારવાળી સંપત્તિ (પુણ્યાનુબંધી પુણ્ય) જોડે લઈ જાય અને પોતાને સંતોષ પણ રહે. જે સંપત્તિ ભાગાકારવાળી (પાપાનુબંધી પુણ્ય) હોય તેને ભગવાને સંપત્તિ ગણી નથી. ભાગાકારવાળી સંપત્તિ તો અહીં ટૈડ થઈને મરી જાય અને એની સંપત્તિ પણ જાય. સંપત્તિમાં શાંતિ નથી, ત્યાં વિપત્તિમાં શાંતિ ક્યાંથી હોય ? વિપત્તિ-સંપત્તિમાં સુખ નથી, નિષ્પત્તિમાં સુખ છે. દુઃખ તો છે આત્માનું વિટામિન અહીં મોટો બંગલો કરશો તો જગતના તમે ભિખારી થશો. નાનો બંગલો (ઘર) તો જગતના તમે રાજા ! કારણ કે આ પુદ્ગલ છે, એ પુદ્ગલ વધ્યું તો આત્મા (પ્રતિષ્ઠિત આત્મા) હલકો થઈ જાય. અને પુદ્ગલ ઘટ્યું તો આત્મા ભારે થઈ જાય. એટલે આ દુનિયાનાં દુઃખ છે એ આત્માનું વિટામિન છે. આ દુઃખ છે એ આત્મવિટામિન છે અને સુખ છે એ દેહનું વિટામિન છે. તોય તમે આત્માનું વિટામિન ખાતા નથી અને દુઃખને છે તે કાઢવા માટે પ્રયત્ન કરો છો. આત્માનું વિટામિન નથી લેતા, નહીં ? આ હું તો, કેટલું બધું, આત્માનું વિટામિન લઈને કેવો થઈ ગયો છું ! કોઈ હમણે જ પચાસ હજાર ઘાલી ગયો હોય ને, તો વિટામિન ફાકું નિરાંતે (પૈસા લઈ ગયાનું દુઃખ આવ્યું માટે) ! ન દીઠું સુખ, લોકસંજ્ઞામાં પ્રશ્નકર્તા : કેટલાક લોકોને તો લોકસંજ્ઞાએ બધું જોઈએ છે. કોઈની ગાડી જુએ એટલે એને પોતાનેય જોઈએ. દાદાશ્રી : એ લોકસંજ્ઞા ક્યારે ઉત્પન્ન થાય ? પોતે મહીં ધરાયેલો ના હોય ત્યારે. મને અત્યાર સુધી કોઈ સુખ લગાડનાર મળ્યો નથી ! નાનપણથી જ મને રેડિયો સરખો લાવવાની જરૂર પડી (લાગી) નહીં. આ બધા જીવતાજાગતા રેડિયો જ ફર્યા કરે છેને ! મહીં લોભ પડ્યો હોય ત્યારે લોકસંજ્ઞા ભેગી થાય. સંતોષનો ખરો અર્થ જ સમતૃષ્ણા ! લોક કહેશે કે પૈસામાં સુખ છે, પણ કેટલાક સાધુ મહારાજ એવા હોય છે કે એમને પૈસા આપે તોય એ ના લે. તમે મને આખા જગતનું સોનું આપવા આવો તોય હું તે ન લઉં. કારણ કે મારે પૈસામાં સુખ છે જ નહીં. પૈસામાં સુખ હોય તો બધાને તેમાંથી તે લાગવું જોઇએ. જ્યારે આત્માનું સુખ તો બધાને જ લાગે. કારણ કે એ સાચું સુખ છે, સનાતન સુખ છે. એ આનંદ તો કલ્પનામાંય ના આવે એટલો બધો આનંદ છે ! ભગવત્ ઉપાય જ, સુખનું કારણ પ્રશ્શનકર્તા : આપે 'ટેમ્પરરી' આનંદ કહ્યો ને બીજો 'પરમેનન્ટ' આનંદ કહ્યો, પણ એ બેનો ફેર અમે જ્યાં સુધી એ સુખ નથી ભોગવ્યું ત્યાં સુધી કેવી રીતે ખબર પડે ? દાદાશ્રી : એની ખબર જ ના પડે. 'પરમેનન્ટ' (શાશ્વત) સુખ આવ્યું નથી ત્યાં સુધી આને જ તમે સુખ કહો. એક છાણમાં રહેનારો કીડો હોય એને ફૂલમાં મૂકીએ તો એ મરી જાય. કારણ કે એ પેલા સુખથી ટેવાયેલો છે. એનાથી પરિચિત છે, એની પ્રકૃતિ જ એવી બંધાઇ ગયેલી છે. અને ફૂલના કીડાને છાણમાં ન ગમે. ભટકામણ, લોભને લીધે મનુષ્યને લોભ હેરાન કરે છે, નિર્વાહ હેરાન નથી કરતો. આ નિર્વાહ હેરાન કરે એવો છે જ નહીં. નિર્વાહ તો એ જ્યાં હોય ત્યાં એને મળી રહે જ. મનુષ્યપણું એ તો મહાન સિદ્ધિ છે, એને હરેક ચીજ મળી આવે, પણ આ લોભને લીધે ભટક ભટક કરે છે. લક્ષ્મીજી પધારે, પુણ્યથી મેં દુનિયામાં ખેલ જોવામાં જ વખત કાઢ્યો છે. બીજું આમાં શું વખત કાઢવાનો ? કમાવાનું તો હાય પૈસો, હાય પૈસો ! એ તો આ પુણ્યૈ હશે ત્યાં સુધી રાગે પડશે. નહીં તો મહેનત કરી કરીને મરી જશો ને, તોય કશું મળતું નથી. આ મજૂરો મહેનત કરે જ છે ને ! આ મજૂરો તો આખો દહાડો મહેનત કરે પછી શેઠ શું કહેશે, 'આજે છૂટા નથી. તારી પાસે સોના છૂટા હોય તો લઈ આવ.' ત્યારે બિચારાને સોના છૂટા કોણ આપે ? અને એટલે પૈસા પેલો ના આપે. તે પૈસા વગર તો બિચારો ઘી-તેલ ક્યાંથી લાવે ? અરે, ઘી તો ખાય નહીં પણ તેલ ને ચપટી પેલો મસાલો લઈ જવાનું હોય તે પૈસા વગર શી રીતે લઈ જાય ? તે વીલે મોઢે પાછો જાય, બિચારો ! અને મજૂરથી ગાળ તો બોલાય નહીં ને શેઠ પૈસા ના આપે. અને તોય ટૈડકાવે. અલ્યા, આખો દહાડો નોકરી કરી, મહેનત કરી તોય રોકડા મળતા નથી. આ હિસાબ શેનો છે ? અને તમે નોકરીમાં રજા લો તોય પગાર મળ્યા કરે ને ? એટલે આ લક્ષ્મી તો પુણ્યૈનું ફળ છે. લક્ષ્મીજી શાથી આવે છે અને શાથી જાય છે તે અમે જાણીએ છીએ. લક્ષ્મીજી મહેનતથી આવતી નથી કે અક્કલથી કે ટ્રિકો વાપરવાથી આવતી નથી. લક્ષ્મી શેનાથી કમાવાય છે ? જો સીધી રીતે કમાવાતી હોય તો આપણા પ્રધાનોને ચાર આનાય મળત નહીં. આ લક્ષ્મી તો પુણ્યૈની કમાય છે. ગાંડો હોય તોય પુણ્યૈથી કમાયા કરે. લક્ષ્મી તો પુણ્યૈથી આવે છે. બુદ્ધિ વાપરવાથી યે નથી આવતી. આ મિલમાલિકો ને શેઠિયાઓમાં છાંટોય બુદ્ધિ ના હોય પણ લક્ષ્મી ઢગલાબંધ આવતી હોય ને એમનો મુનીમ બુદ્ધિ વાપર વાપર કરે, ઇન્કમટેક્ષની ઑફિસમાં જાય, ત્યારે સાહેબની ગાળોય મુનીમ જ ખાય, જ્યારે શેઠ તો લહેરથી ઊંઘતો હોય. પૈસા કમાવવા માટે પુણ્યની જરૂર છે. બુદ્ધિથી તો ઊલટાં પાપો બંધાય. બુદ્ધિથી પૈસા કમાવવા જાવ તો પાપ બંધાય. મારે બુદ્ધિ નહીં એટલે પાપ બંધાય નહીં. અમારામાં બુદ્ધિ એક સેન્ટ પરસેન્ટ નથી. લક્ષ્મી સ્વભાવે વિયોગી લક્ષ્મીનો સ્વભાવ જ વિયોગી છે. એ કહેશે, મારે હવે સાધન આઠ પેઢી સુધી રહે તો સારું, પણ એનો સ્વભાવ જ વિયોગી એટલે આપણે કહેવું કે તું જા એવી અમારી ઇચ્છા નથી. તું અહીં રહે. પણ છતાંય તારે જવું હોય તો મારી ના નથી. એવું કહીએ ને એટલે એને એમ ના થાય કે આ અમારી આમને પરવા જ નથી. 'અમને તારી પરવા દસ વખત છે. પણ જો તારાથી ના રહેવાય, તો તારી મરજીની વાત છે.' ના રહેવું હોય ત્યારે કંઈ એને મા-બાપ કહેવાય (ખૂબ વિનવણીઓ કરી કંઈ રોકાય) ? એ તો નૈમિત્તિક છે એટલે અમે તમને કહીએ કે પૈસા ગમે એટલી માથાકૂટ કરો તો મળે એવું નથી. એ 'ઈટ હેપન્સ' છે. હા અને તમે એમાં નિમિત્ત છો. કોર્ટમાં જવું-આવવું એ નિમિત્ત છે. તમારે મોઢે વાણી નીકળે છે એ બધું નિમિત્ત છે એટલે તમે આમાં બહુ ધ્યાન ના આપો. એની મેળે ધ્યાન અપાઈ જ જશે અને આમાં તમને હરકત આવે એવું નથી. વાપરે એનું નાણું આ જગત તો એવું છે. એમાં ભોગવનારાં યે હોય ને મહેનત કરનારાં યે હોય, બધું ભેળસેળ હોય. મહેનત કરનારાં એમ જાણે કે આ હું કરું છું. એનો એમનામાં અહંકાર હોય. જ્યારે ભોગવનારાંમાં એ અહંકાર ના હોય. ત્યારે આમને ભોક્તાપણાનો રસ મળે. પેલાં મહેનત કરનારાંને અહંકારનો ગર્વરસ મળે. એક શેઠ મને કહે, 'આ મારા છોકરાને કશું કહોને, મહેનત કરવી નથી. નિરાંતે ભોગવે છે.' મેં કહ્યું, 'કશું કહેવા જેવું જ નથી. એ એની પોતાના ભાગની પુણ્યૈ ભોગવતો હોય, એમાં આપણે શું કરવા ડખો કરીએ ?' ત્યારે એ મને કહે કે, 'એમને ડાહ્યા નથી કરવા ?' મેં કહ્યું, 'જગતમાં જે (પુણ્યૈ) ભોગવે છે એ ડાહ્યો કહેવાય. બહાર નાખી દે એને ગાંડો કહેવાય ને મહેનત કર્યા કરે એ તો મજૂર કહેવાય. પણ મહેનત કરે છે એને અહંકારનો રસ મળે ને ! લાંબો કોટ પહેરીને જાય એટલે લોકો 'શેઠ આવ્યા શેઠ આવ્યા' કરે એટલું જ બસ. અને ભોગવનારને એવી કંઈ શેઠ-બેઠની પડેલી ના હોય. આપણે તો આપણું ભોગવ્યું એટલું સાચું. પુણ્ય ખર્ચતાંય પુણ્ય જીવતાં તો આવડ્યું કોને કહેવાય ? પોતાની પાસે આવ્યું હોય તે ભેલાડે. ગાંડપણ નહીં, ડહાપણથી ભેલાડે. ગાંડપણથી દારૂ-બારૂ પીતા હોય, એમાં ભલીવાર જ ના આવે. કોઈ દહાડો વ્યસન હોય નહીં ને ભેલાડે. આ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. પુણ્યાનુબંધી પુણ્ય કયું ? દરેક ક્રિયામાં બદલાની ઇચ્છા ના રાખે એ પુણ્યાનુબંધી પુણ્ય ! સામાને સુખ આપતી વખતે કોઈ પણ જાતના બદલાની ઇચ્છા ના રાખે, એનું નામ પુણ્યાનુબંધી પુણ્ય ! જ્ઞાની શીખવાડે ભેલાડી દેતા અમેય ભેલાડી દેતા હતા. તે હીરાબાને ખૂંચે. 'તમે તો બધું ભેલાડી દો છો.' એવું કહે ત્યારે અમે કહીએ, 'હવે નહીં ભેલાડું.' પ્રશ્નકર્તા : ભેલાડવું એ શબ્દ મેં સાંભળ્યો નથી. જરા સમજાવોને ! દાદાશ્રી : અમે જમીનદાર ખરાને ! થોડી થોડી જમીનો ખરી અને ખેડૂતોય ખરા. તે કોઈ પૂછે કે, 'હમણે શાક કેમ લાવતા નથી ?' ત્યારે કહે, 'ભેલાઈ ગયું હવે !' ભેલાઈ ગયું એટલે શું ? ખેતરમાં આ ગાયો-ભેંસો ફરે તે બધું ખાઈ જાય ત્યારે આપણાથી વાંધો ના ઉઠાવાય. એ ખેતર ભેલાઈ ગયું કહેવાય ! એ ગુજરાતી ભાષાનો શબ્દ છે. જે આવ્યો તે લઈ જાય. આપણે એવું ભેલાડવું નથી. પણ આવું જો નિયમથી, પ્રમાણથી કરવામાં આવે તો ! આપણે ત્યાં આવવા કોઈ નવરો જ નથી. આ તો લોકોને લાભ લેતાં નથી આવડતું. જે મનુષ્ય લે છે તે તો જે મનુષ્ય આપે છે તેનાં કરતાંય કિંમતી છે. કારણ કે આપનાર હોય તોય કોઈ લે નહીં. આવતાં જ જો આપણે ભેલાડી ના દીધું તો આપણે ભેલાઈ જઈશું ! એટલે ભેલાડી દેવું જોઈએ ! હવે એ ભેલાવવા માટે શું કરે ? તમારી બુદ્ધિ એમાં કામ લાગે નહીં એટલે અમારા જેવાની તમારે મિત્રાચારી કરવી જોઈએ, ક્ષત્રિયોની જોડે ને કામ કાઢી લેવું અને તમારી (વણિકો) જોડે મિત્રાચારી કરીએ તો અમારી સેફસાઈડ રહે. નહીં તો અમારી સેફસાઈડ નહિ. ભેલાડ્યું શબ્દ નથી સાંભળ્યો, નહીં ? કેટલાક શબ્દો ખોવાઈ ગયા છે. તમે ભેલાડે શબ્દ સાંભળેલો ? પ્રશ્નકર્તા : હા, દાદા. દાદાશ્રી : શું સમજ્યા હતા તમે ? જેનો ધણીધોરી ના રહ્યો એ ભેલાઈ ગયું કહેવાય. કોઈ એમ ના વાંધો ઉઠાવે કે આ અમારું છે ને ઉઠાવી ગયા. જેનો ધણીધોરી ના હોય એ ભેલાઈ ગયું. કબીરેય કહ્યુંને કે તારી પાસે આ જે મિલકત હોય, તેમાં તું પહેલાં ખા, પી. પી એટલે દારૂ-બ્રાંડી નહીં, દૂધ છે, ચા છે તે પી. ખા ને ખવડાવી દે લોકોને, ને 'કર લે અપના કામ. ચલતી વખતે હે નરો, સંગ ન ચલે બદામ.' માટે ખવડાવી દેજે. નહીં તો આમાં નહીં જાય તો બીજે રસ્તે જતું જ રહે. ધનનો સ્વભાવ ચંચળ છે. નક્કી કરવા જેવો ધ્યેય અમે જાણી-જોઈને છેતરાઈએ છીએ એ તો અપવાદ છે અને અપવાદ એ કોઈક ફેરો જ હોય. બાકી, લોકો જાણી-જોઈને છેતરાય છે તે તો શરમના માર્યા અગર તો બીજા અંદરના કોઈ કારણના માર્યા છેતરાય છે. બાકી લોકોને જાણી-જોઈને છેતરાવું એવો ધ્યેય ના હોય, જ્યારે અમારો તો ધ્યેય હતો એ કે જાણી-જોઈને છેતરાવું. ખોટ ખાઈને વ્યવહાર દીપાવ્યો હું તો સોળ વર્ષનો હતો ને તોય લોકો શું કહેશે ? હું વડોદરા આવુંને તો કોઈ કહે કે મારું આ ગંજીફરાક લાવજો. કોઈ કહેશે, મારી ટોપી લઈ આવજો, આટલા નંબરની. પણ હું બાર આનાનું ગંજીફરાક લાવ્યો હોઉં, તે બે આના ઓછા લઉં, આપણે છેતરાયા હોય અને આપણે માથે આરોપ આવે કે બીજી જગ્યાએ દસ આને મળતું'તું. હવે બે આના છેતરાયા હોય, તોય લોકો કહેશે, 'બે આના ખાઈ ગયા.' એના કરતાં આપણે બે આના ઓછા લઈ લો, પહેલેથી આવું ચેતીને ચાલું. કારણ કે પેલો આરોપ આપે એ ગમે નહીં. એના મનમાં શંકા પડે તેય ગમે નહીં. શંકા પડે એટલે પ્રેમ તૂટી ગયોને. પ્રેમ જતો રહે. હું તે દહાડેય બે આના ઓછા લઉં. લોકો પાછા મારી જોડેવાળાં કહે, 'કેવા માણસ છો તે, આવું હોય ? આપણે સાચા છીએ, બાર આનાના બાર આના લેવામાં વાંધો શું હતો ?' ત્યારે મેં કહ્યું, 'ના, બા. કારણ કે બીજી જગ્યાએ આપણે છેતરાયા હોઈએ. હું તો ભલો માણસ.' પેલો કહે એટલે લઈ લઈએ. આપણને તો ખટપટ આવડે નહીં. વાહ વાહ માટે ધૂળધાણી (જ્ઞાન પહેલાં) મારાથી ધર્મમાં પૈસા વપરાતો ન હતો ને વાહ વાહ કરે ત્યાં પાંચ લાખ આપી દઉં, એ માનની ગાંઠ કહેવાય. વાહ વાહ, વાહ વાહ ! અલ્યા, એક દહાડો રહ્યું કે ના રહ્યું, કશુંય નહીં. પણ ના, એમાં ગમે, ટેસ્ટ પડે. મેંય શોધખોળ કરેલી કે મન મોટું છે ને આવું ચીકણું કેમ થઈ જાય છે ? પણ વાહ વાહમાં મન મોટું હતું. શોધખોળ કરવી જોઈએને કે આપણું મન કેવું છે તે ? અરે, હું તો મારો સ્વભાવ માપી જોઉંને ! ૧૯૪૦-૪૨માં કોન્ટ્રાક્ટનો ધંધો હતો. હવે તે વર્ષોમાંય સો રૂપિયાની અમારે ભીડ નહીં, તે દહાડે પૈસાની કિંમત બહુ. પૈસાની છૂટ હતી તોય પણ હું અગાસ જઉં ત્યારે ત્યાં આગળ રૂપિયા લખાવી લઉં. તે સોની નોટ કાઢીને કહું કે, 'લો પચીસ લઈ લો ને પોણા સો પાછા આપો.' હવે પોણા સો પાછા ના લીધા હોત તો ચાલત. પણ મન ચીકણું ને, તે પોણા સો પાછાં લેતો. પ્રશ્નકર્તા : દાદા, તમે ત્યારે પણ કેટલું સૂક્ષ્મ જોતા હતા ? દાદાશ્રી : હા, પણ મારું કહેવાનું કે આ સ્વભાવ, પ્રકૃતિ જાય નહીંને ! તે પછી મેં તપાસ કરી. આમ લોકો મને કહે કે 'બહુ નોબલ છો તમે !' મેં કહ્યું, 'આ કેમનું નોબલ ?!' અહીં આગળ ચીકાશ કરે છે. પછી તપાસ કરતાં મને પોતાને જડ્યું કે મને વાહ વાહ કરે ત્યાં લાખ રૂપિયા ખર્ચી નાખે, નહીં તો રૂપિયોય ન આપે. એ સ્વભાવ તદ્ન ચીકણો નહીં પણ વાહ વાહ ના કરે, ત્યાં ધર્મ હોય કે ગમે તે હોય, પણ ત્યાં અપાય નહીં અને વાહ વાહ કરી કે બધી કમાણી ધૂળધાણી કરી નાખે, દેવું કરીનેય ખર્ચે. હવે વાહ વાહ કેટલા દહાડા ? ત્રણ દહાડા. પછી કશુંય નથી. પોક પડી પછી બંધ થઈ જાય. ત્રણ દહાડા સુધી પોક પડે જરા. અને આ પેલા (વાણિયા) બેઠા છેને, તે પાકા. એ વાહ વાહથી છેતરાય નહીં. એ તો આગળ જમે થાય છે કે અહીંનું અહીં રહે છે ? પેલું વાહ વાહવાળું તો અહીં વટાઈ ગયું. એનું ફળ લઈ લીધું મેં, ચાખી લીધું મેં અને આ તો વાહ વાહ ના ખોળે, ત્યાં ફળ ખોળે એ ઓવરડ્રાફ્ટ, બહુ પાકા, વિચારશીલ લોકોને ! આપણા કરતાં વધારે વિચારશીલ. આપણે ક્ષત્રિય લોકોને તો એક ઘા ને બે ટુકડા ! બધા તીર્થંકરો યે ક્ષત્રિય થયેલા. સાધુઓ જાતે કહે છે, અમારાથી તીર્થંકર થવાય નહીં. કારણ કે અમે સાધુ થઈએ તો વધુ ત્યાગ કરીને પણ એકાદ 'ગીની' રહેવા દઈએ અંદર ! કો'ક દહાડો અડચણ પડે તો ? એ એમની મૂળ ગ્રંથિ અને તમે તરત આપી દો. પ્રોમિસ ટુ પે એટલે બધું પ્રોમિસ જ ! બીજું આવડે નહીંને ! મહીં સમજણ નહીં, 'થીંકર' જ નહીં, પણ એમને છૂટકારો વહેલો મળે. પ્રશ્નકર્તા : છૂટકારો વહેલો મળે ? દાદાશ્રી : હા, એ લોકો કેવળજ્ઞાન પામી મોક્ષે જાય. પણ તીર્થંકરો તો ક્ષત્રિયો જ હોય. અને આ (વણિકો) તો વિચારશીલ પ્રજા ! દરેક વસ્તુ વિચારીને કામ કરે. અને આપણે (ક્ષત્રિયોને) પસ્તાવાનો પાર નહીં. પેલા (વણિકો)ને પસ્તાવો ઓછો આવે. જુઓને, મને યાદ આવે છે. સો આપવાના તેના પોણા સો પાછા લઉં. મને હજુયે એ ઓફિસ દેખાય છે. પણ મેં કહ્યું, 'આવો ઢંગ !' આ લોકોનાં કેવાં મોટાં મન હોય છે ! હું મારા ઢંગને સમજી ગયેલો. આમ મોટું મનેય ખરું, પણ વાહ વાહ, ગલીપચી કરનાર જોઈએ. ગલીપચી કરી કે ચાલ્યું. પ્રશ્નકર્તા : દાદા, એ જીવનો સ્વભાવ છે. દાદાશ્રી : હા, એ બધી પ્રકૃતિ છે. સામાને રાજી થવા દીધાં મારે તો આ ધોતિયાનો જોટો લેવા જઉંને, તો દુકાનદારે બબ્બે રૂપિયા વધારે લીધા હોય. 'અંબાલાલભાઈ આવ્યા, અંબાલાલભાઈ આવ્યા.' એવું કહે અને આપુંય ખરો. દાનત જ જ્યારે બે રૂપિયા પડાવવાની છે તેથી રાજી થતો હોય તો શું વાંધો છે ? અને મન ભિખારી છે. મારું મન તો બે રૂપિયા માટે ભિખારી નથી થયું ને એવો સ્વભાવ જાય નહીં. સ્વભાવ પડેલા મને તો ના ફાવે આવું. હું તો પહેલેથી ગણતરીબાજ માણસ એટલે મને આ ફાવે નહીં. આમ છેતરાયેલા માનથી જ હું તો મૂળ માની સ્વભાવનો માણસ એટલે દુકાનમાં પેસું ત્યાંજ એ સમજી જાય કે અંબાલાલભાઈ આવ્યા છે. કન્ટ્રાક્ટર ખરોને એટલે રોફવાળા ગણાય. અરે, તકિયા હઉ મૂકી આપે ! 'કહો, શું ગમશે ?' કહેશે. ત્યારે મેં કહ્યું, 'એક જોટો ધોતિયાનો અને બે-ત્રણ ખમીસનું કપડું લેવાનો વિચાર થયો એટલે આવ્યો છું.' એટલે કાઢી આપે. તરત બિલ ફાડી આપે, 'સાહેબ, પૈસા નહીં હોય તો ઘેર આવીને લઈ જશે.' મેં કહ્યું, 'ના, છે મારી પાસે અત્યારે.' તે આપણે પૈસા આપી દઈએ ને પૈસા ના હોય તો કહી દઈએ કે ઘરેથી લઈ જજો. પણ હું જાણું કે પંદર રૂપિયાનો જોટો, પણ મારી પાસે એણે ત્રણ રૂપિયા વધારે લીધા. કારણ કે અમથા બધા આ તકિયા ને બધું આપતા હશે ?! એટલે હું જાણું કે આ બિચારાનો એનો સ્વભાવ જ એવો છે. તો હું એની જોડે ક્યાં કચકચ કરું કે, 'આટલા બધા અઢાર રૂપિયા હોય ? આમ છે, તેમ છે ?' હવે ત્યાં કચકચ કરનારો હોય તેને એ પંદર રૂપિયે આપે. હું કચકચ ના કરું એટલે અઢાર રૂપિયા લે. આ લોકોના નિયમ કેટલા સુંદર (!) છે ! આ તો બહુ સારા લોકો ! ફોરેનમાં આવા લોકો ના હોય. આ તો આપણું ઇન્ડિયન પઝલ કહેવાય. આ પઝલ એવું છે કે કોઈ સોલ્વ ના કરી શકે. એનું નામ ઇન્ડિયન પઝલ કહેવાય. 'અલ્યા, સારા માણસ પાસેથી વધારે લેવાના ? ત્યારે કહે, 'હા, બાકી નબળો માણસ તો વધારે આપે જ નહીંને ! હવે સારા માણસને લૂંટે નહીં, તો બીજા કોને લૂંટવા જોઈએ ?! અને લૂંટીનેય શું લઈ જવાના છે ? ત્રણ રૂપિયા. એટલા હારુ તો 'બેસો સાહેબ, બેસો સાહેબ, ચા મંગાવું' કર્યા કરે. પણ હું આખી જિંદગી છેતરાયેલો. છેતરા છેતરા કરું. કોઈ બસ્સો રૂપિયા છેતરે, કોઈ પાંચસો રૂપિયા છેતરે. મારી આખી જિંદગી છેતરે એવો કોઈ મને મળ્યો નથી. છેતરવાની કંઈ હદ હોય છે. માટે છેતરાવાનો આપણે નિયમ જ લેવો જોઈએ. જાણીને છેતરાય તે મોક્ષે જાય પ્રશ્નકર્તા : આપ તો સમજીને છેતરાયા, પણ પેલો ધોતિયાના પૈસા વધારે લઈ ગયો એમાં એની શી દશા થાય ? એને લાભ કે ગેરલાભ ? દાદાશ્રી : એનું જે થવાનું હોય તે થાય. એણે મારી શિખામણથી આ નથી કર્યું. હક્કનું ખાવા આવ્યું તો ભલે અને અણહક્કનું ખાવા આવ્યું તો પણ અમે લાપોટ નથી મારી, ખાઈ જા બા ! એનો એને તો ગેરલાભ જ થાયને ! એણે તો અણહક્કનું લીધું એટલે તેને ગેરલાભ થાય, પણ અમારો મોક્ષ ખુલ્લો થયોને ! 'સર્વનો અહમ્ પોષી વીતરાગ ચાલી જાય.' આ અહમ્ ના પોષીએ તો લોકો આપણને આગળ જવા જ ના દે ! 'અમારું આ બાકી રહ્યું, અમારું આ બાકી રહ્યું' એમ કહીને અટકાવે. આગળ જવા દે કોઈ ? અરે, ફાધર-મધર પણ ના જવા દેને ! એ તો 'તેં મારું કશું ધોળ્યું નહીં' કહેશે. અલ્યા, આવો બદલો ખોળો છો ? બદલો તો સહેજાસહેજ મળતો હોય તો સારી વાત છે. નહીં તો મા-બાપે બદલો ખોળવાનો હોય ? બદલો ખોળે એ મા-બાપ જ ના કહેવાય, એ તો ભાડૂત કહેવાય ! સમજીને છેતરાવાવાળા ઓછા હોયને ? હું ભોળપણથી નહીં છેતરાયેલો. હું જાણું કે આ બધા મને છેતરી રહ્યા છે. હું જાણીને છેતરાઉં. ભોળપણથી છેતરાય એ ગાંડા કહેવાય. અમે ભોળા હોતા હોઈશું ? જે જાણીને છેતરાય એ ભોળા હોય ? જીવન વહ્યું પરોપકારમાં પહેલેથી જ દયાળુ, લાગણીવાળો સ્વભાવ મારો ! ઉઘરાણી કરવા ગયો હોઉં તો આપીને આવું !!! આમ ઉઘરાણી કરવા તો જાઉં જ નહીં કોઈ દહાડો. પણ ઉઘરાણી કરવા જાઉં તો તે દહાડે એમને કંઈ ભીડ પડી હોય તો ઊલટો આપીને આવું. મારે ગજવામાં કાલે વાપરવાના હોય તેય આપીને આવું ! તે કાલે વાપરવામાં હું મૂંઝાઉં ! એવી રીતે મારું જીવન ગયું છે. આમ થયા ભગવાન આખી જિંદગી સુધી અમે આ જ ધંધો માંડેલો. જુઓને, આ અમે છેતરાઈને ભગવાન થયા છીએ. આ લોકોની જોડે છેતરા છેતરા કર્યા અને છેતરે એનો ગુણ માનું પાછો કે બહુ સારું થયું બા ! નહીં તો આપણે પાંચ હજાર રૂપિયા આપોને તોય કોઈ છેતરે નહીં. હું તમને પાંચ હજાર રૂપિયા આપું તોય તમે છેતરો નહીં. કહેશે, હું આ જોખમદારી શું કરવા લઉં અને આ મૂરખા એમ ને એમ જોખમદારી લે છે. કોણ લે ? ફૂલિશ લોકો. એનું ફળ તો સમજો સમજીને છેતરાવા જેવો કોઈ પરમાર્થ નથી. અને આખી જિંદગી હું જાણી-જોઈને, છેતરાયેલો છું. લોકો કહે છે, 'એનું ફળ શું ?' ત્યારે મેં કહ્યું, 'જાણીને છેતરાય એને શું પદ મળે ? કે દિલ્હીમાં જે કોર્ટ હોય છેને, તે સુપ્રીમ કોર્ટના જજનેય ટૈડકાવે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય.' એટલે શું ? કે જજનીય ભૂલો કાઢે એવું હાઈક્લાસ પાવરફૂલ મગજ થઈ જાય ! કાયદામાં લઈ લે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય. જે જાણી જોઈને છેતરાય છે, જે કોઈને છેતરતો નથી એનું મગજ એવું હાઈલેવલ પર જાય ! પણ એવું જાણી-જોઈને છેતરાય કોણ ? એવો કયો પુણ્યશાળી હોય ? અને આ સમજણ જ શી રીતે એડોપ્ટ થાય ? આ સમજણ જ કોણ આપે ? છેતરવાની સમજણ આપે, પણ આ જાણીને છેતરાવાની સમજણ કોણ આપે ? વિશ્વાસ અમૂલ્ય મૂડી એટલે આપણે તો છેતરાઈને આગળ જવું. સમજીને છેતરાવા જેવી પ્રગતિ આ જગતમાં કોઈ પણ નથી. મનુષ્ય જાતિ પરનો વિશ્વાસ એ તો બહુ ઊંચી વસ્તુ છે. દસ જણાના વિશ્વાસઘાત થાય તો બધાંને છોડી દેવા ? ના છોડી દેવાય. આપણા લોક તો શું કરે છે ? બે-પાંચ ભાઈબંધોએ દગો દીધો હોય તો 'આ બધા દગાખોર છે, બધા દગાખોર છે' કહેશે. અલ્યા ના બોલાય. આ તો આપણી હિન્દુસ્તાનની પ્રજા ! આમ આડવંશ દેખાય છે આવી, પણ પરમાત્મા જેવા છે ! ભલેને સંજોગોને લીધે આવી દશા થઈ છે, પણ આ જ્ઞાન આપું તો એક કલાકમાં તો કેવા થઈ જાય છે ! એટલે પરમાત્મા જેવા છે. પણ એમને સંજોગ બાઝયો નથી. ખરી જરૂરિયાત શેની ? પ્રશ્નકર્તા : લક્ષ્મી ના હોય તો સાધન ના હોય અને સાધન માટે લક્ષ્મીની જરૂર છે. એટલે લક્ષ્મી સાધન વિના આપણે જે જ્ઞાન લેવા ધારતા હોય તો એ ક્યારે મળે ? એટલે આ લક્ષ્મી એ જ્ઞાનની નિશાળે જવાનું પહેલું સાધન છે, એવું નથી લાગતું ? દાદાશ્રી : ના. લક્ષ્મી એ બિલકુલેય સાધન નથી. જ્ઞાન માટે તો નહીં, પણ એ કોઈ રીતે બિલકુલેય સાધન જ નથી. આ દુનિયામાં જો જરૂરિયાત વગરની વસ્તુ હોય તો તે લક્ષ્મી છે. જરૂરિયાત જે લાગે છે એ તો ભ્રાંતિ અને અણસમજણથી માની બેઠાં છે. જરૂરિયાત શેની છે ? હવાની પહેલી જરૂરિયાત છે. જો હવા ના હોય તો તું કહું કે હવા વગર મરી જવાય છે. લક્ષ્મી વગર મરી ગયેલા જોવામાં આવ્યા નથી. એટલે આ લક્ષ્મી જરૂરી સાધન છે, એવું કહે છે, એ તો બધી મેડનેસ છે. કારણ કે બે મિલવાળાનેય લક્ષ્મી જોઈએ છે, એક મિલવાળાનેય લક્ષ્મી જોઈએ છે, મિલના સેક્રેટરીનેય લક્ષ્મી જોઈએ છે, મિલના મજૂરનેય લક્ષ્મી જોઈએ છે, ત્યારે સુખી કોણ આમાં ? શું નાણે જ નાથાલાલ ? પ્રશ્નકર્તા : પૈસા વગર કોઈ આપણને પૂછતું નથી. દાદાશ્રી : આ મારી પાસે ચાર આનાય નથી. મારા ગજવામાં જોઈ લો, તોય મને બધા જ પૂછે છે. તમારે પૈસાની જરૂર ના રહેને, ત્યારે તમારી પાસે બહુ પૈસા હોય. આ તો જ્યાં સુધી મન ભિખારી છે કે મારી પાસે પચ્ચીસ હજાર રૂપિયા છે. તે એની ઉપર જ રમ્યા કરે. પરિણામે બેલેન્સમાં શું ? એવું છે ને, નાનપણથી લોકો પૈસા કમા કમા કરે છે, પણ બેન્કમાં જોવા જાય તો કહેશે, 'બે હજાર જ પડ્યા છે !' અને આખો દહાડો હાય વોય, હાય વોય, આખો દહાડો કકળાટ, ક્લેશ ને કંકાસ. હવે અનંત શક્તિ છે ને તમે મહીં વિચાર કરો ને તેવું બહાર થઈ જાય એટલે બધી શક્તિ છે, પણ આ તો વિચાર તો શું, પણ મહેનત કરીને કરવા જાય તોય બહાર થતું નથી. ત્યારે બોલો, મનુષ્યોએ કેટલી બધી નાદારી ખેંચી છે ! વગર ચિંતવ્યે આવી મળે આ પૈસો એ તો પૂરણ-ગલન થાય છે. એ બધી કુદરતની સત્તા છે. એટલે પૂરણ થાય છે, લાખ રૂપિયા કમાય છે એ કુદરતની સત્તા છે. એ સત્તા તમારી નથી, ત્યાં શું કરવા હાથ ઘાલો છો ? પૈસા તો ફ્રી ઑફ કોસ્ટ જ મળ્યા છે. પણ આ લોકો લોભથી ભાવના કર્યા કરે છે. પૈસા કમાવવાની ભાવના કરવાની જરૂર નથી. પ્રયત્ન ભલે ચાલુ રહ્યા. ભાવનાથી શું થાય ? પૈસા હું ખેંચી લઉં તો પેલાને ભાગે રહે નહીં. એટલે જે કુદરતી ક્વૉટા નિર્માણ થયો છે, તેને જ આપણે રહેવા દો ને, વળી ભાવના કરવાની જરૂર શું ? આ તો લોકોનાં ઘણાં પાપ થતાં અટકી જાય. એવું હું કહેવા માગું છું. આ એક વાક્યમાં ઘણો સાર મૂકાયેલો છે પણ સમજે તો. એવું નથી કે આ જ્ઞાન લેવાની જ જરૂર છે. જ્ઞાન ના લીધું હોય ને, પણ એટલું એને સમજણ પડે કે આ હિસાબસર જ છે. કશું હિસાબથી બહાર થતું નથી, નહીં તો મહેનત કરતાં ખોટ આવે તો આપણે ના સમજીએ ! મહેનત એટલે મહેનત, મળવું જ જોઈએ, પણ ના, ખોટેય નિરાંતે જાય છે ને ! કયા કાયદાઓથી લક્ષ્મી ? પ્રશ્નકર્તા : લક્ષ્મીજીના કાયદા શા છે ? દાદાશ્રી : લક્ષ્મીજી ખોટી રીતે લેવાય નહીં એ કાયદો. એ કાયદો જો તોડે પછી લક્ષ્મીજી ક્યાંથી રાજી રહે ? પછી તું લક્ષ્મીજી ધોને ? બધાય ધૂએ છે ! ત્યાં વિલાયતમાં લોકો લક્ષ્મીજીને ધૂએ છે ? પ્રશ્નકર્તા : ના, દાદા, ત્યાં કોઈ લક્ષ્મીજીને ધોતું નથી. દાદાશ્રી : તોય એ ફોરેનર્સને લક્ષ્મીજી આવે છે કે નહીં ? એમ લક્ષ્મીજી ધોવાથી આવતી હશે ? અહીં હિન્દુસ્તાનમાં દહીંમાંય ધૂએ છે. લક્ષ્મીજીને બધાય ધો ધો કરે છે ને કોઈ કાચા નથી. મનેય લોકો કહેવા આવે કે, 'તમે લક્ષ્મીજી ધોઈ કે નહીં ?' મેં કહ્યું, 'શાના માટે ? આ લક્ષ્મીજી જ્યારે અમને ભેગાં થાય છે ત્યારે અમે તેમને કહી દઈએ છીએ કે વડોદરે મામાની પોળ ને છઠ્ઠું ઘર, જ્યારે અનુકૂળ આવે ત્યારે પધારજો અને જ્યારે જવું હોય ત્યારે જજો. તમારું જ ઘર છે, પધારજો. એટલું અમે કહીએ. અમે વિનય ના ચૂકીએ. એમ એવું ત્યાં આગળ ના કહીએ કે 'અમારે એની જરૂર નથી.' તમેય ઘેર રાત્રે જઈને બોલજો કે 'હે લક્ષ્મીજી દેવી, તમને જ્યારે અનુકૂળ હોય ત્યારે મારે ઘેર આવજો અને જ્યારે અનુકૂળ હોય ત્યારે જજો. પણ આ ઘેર આવજો. તમે ધ્યાન રાખજો', એવું કહેવાયને ? પ્રશ્નકર્તા : આવતાં-જતાં રહેજો. દાદાશ્રી : ના, એવું નહીં. 'આ ઘર તમારું છે. જ્યારે અનુકૂળ આવે ત્યારે આવજો. અમારી ઇચ્છા છે કે આવજો.' એટલું બોલીને પછી સૂઈ જવાનું. શુદ્ધાત્માનું ધ્યાન કરતાં કરતાં પછી એમાં સંકલ્પ-વિકલ્પ કરે તો ભયંકર દોષ બેસે. પછી કેસ ઊંચો મૂકી દેવાનો. લક્ષ્મી છતાં અશાંતિ શાને ? આ કાળમાં તો સાચી લક્ષ્મી આવે તો એક જ રૂપિયો, ઓહોહો... કેટલું સુખ આપીને જાય ! પુણ્યાનુબંધી પુણ્ય તો ઘરમાં બધાને સુખ-શાંતિ આપીને જાય. ઘરમાં બધાને ધર્મના ને ધર્મના વિચારો રહ્યા કરે. આવતી લક્ષ્મીમાં પોતે હકદાર કેટલો ? અને આ તો દુષમકાળ, તો આ દુઃખ-મુખ્યકાળમાં જીવો કેવા હોય તે ? કકળાટવાળા, આખો દહાડો કકળાટ, કકળાટ, કકળાટ. અંતરશાંતિ ના રહે. રૂપિયાથી કોઈ શાંતિ થાય નહીં. મુંબઈમાં એક ઊંચા સંસ્કારી કુટુંબનાં બેનને મેં પૂછ્યું, 'ઘરમાં ક્લેશ તો નથી થતો ને ?' ત્યારે એ બેન કહે, 'રોજ સવારમાં ક્લેશના નાસ્તા હોય છે !' મેં ક્હ્યું, 'ત્યારે તમારે નાસ્તાના પૈસા બચ્યાં નહીં ?' બેન કહે, 'ના તોય કાઢવાનાં, પાઉંને માખણ ચોપડતાં જવાનું.' તે ક્લેશેય ચાલુ ને નાસ્તાયે ચાલુ. અલ્યા, કઈ જાતના જીવડાંઓ છે ?! પ્રશ્નકર્તા : કેટલાકના ઘરમાં લક્ષ્મી જ એવા પ્રકારની હશે એટલે ક્લેશ થતો હશે ? દાદાશ્રી : આ લક્ષ્મીને લીધે જ આવું થાય છે. હંમેશાં જો લક્ષ્મી નિર્મળ હોય તો બધું સારું રહે, મન સારું રહે. આ લક્ષ્મી માઠી પેઠી છે તેનાથી ક્લેશ થાય છે. અમે નાનપણમાં નક્કી કરેલું કે બનતાં સુધી ખોટી લક્ષ્મી પેસવા જ ના દેવી. તે આજે છાસઠ વર્ષ થયાં પણ ખોટી લક્ષ્મી પેસવા નથી દીધી. તેથી તો ઘરમાં કોઈ દહાડો ક્લેશ ઊભો થયોય નથી. ઘરમાં નક્કી કરેલું કે આટલા પૈસાથી ઘર ચલાવવું. ધંધો લાખ રૂપિયા કમાય પણ આ 'પટેલ' (દાદાશ્રી પોતે) સર્વિસ કરવા જાય તો શું પગાર મળે ? બહુ ત્યારે છસો-સાતસો રૂપિયા મળે. ધંધો એ તો પુણ્યૈના ખેલ છે. માટે નોકરીમાં મળે એટલા જ પૈસા ઘેર વપરાય. બીજા તો ધંધામાં જ રહેવા દેવાય. ઈન્કમટેક્ષવાળાનો કાગળ થાય તે આપણે કહેવું, 'પેલી રકમ હતી તે ભરી દો, ક્યારે કયો એટેક આવે તેનું કશું ઠેકાણું નહીં. અને જો પેલા પૈસા વાપરી ખાય તો ત્યાં 'ઈન્કમટેક્ષવાળાનો એટેક' આવ્યો તો આપણે મહીં પેલો 'એટેક' આવે. બધે એટેક પેસી ગયા છે ને ? આ જીવન કેમ કહેવાય ? તમને કેમ લાગે છે ? ભૂલ લાગે છે કે નથી લાગતી ? તે આપણે ભૂલ ભાંગવાની છે. લક્ષ્મી સહજ ભાવે ભેગી થતી હોય તો થવા દેવી પણ તેના પર ટેકો ના દેવો. ટેકો દઈને 'હાશ' કરો, પણ ક્યારે એ ટેકો ખસી જાય એ કહેવાય નહીં. માટે ચેતીને ચાલો કે જેથી અશાતા વેદનીયમાં હાલી ના જવાય. ભગવાને કહ્યું કે હિસાબ માંડશો નહીં. ભવિષ્યકાળનું જ્ઞાન હોય તો હિસાબ માંડજો. અલ્યા, હિસાબ માંડવો હોય તો કાલે મરી જઈશ એવો હિસાબ માંડ ને ! વધારે રૂપિયા આવે ત્યારે વધારે અકળામણ થાય, મગજ ડલ થઈ જાય ને કશું યાદ ના રહે, અજંપો અજંપો અજંપો રહ્યા કરે. આ તો નોટો ગણ ગણ કરે, પણ એ નોટો અહીં ને અહીં રહી ગઈ બધી ને ગણનારાં ગયાં ! તોય કહે છે કે, 'તારે સમજવું હોય તો સમજી લેજે, અમે રહીશું ને તું જઈશ !' માટે આપણે એની જોડે કંઈ વેર નથી બાંધવું. પૈસાને આપણે કહીએ, આવો બા, એની જરૂર છે ! બધાંની જરૂર તો છે ને ? પણ એની પાછળ જ તન્મયાકાર રહે ! તો ગણનારા ગયા અને પૈસા રહ્યા. છતાં ગણવું પડે તેય છૂટકો જ નહીં ને ! કો'ક જ શેઠિયો એવો હોય કે મહેતાજીને કહે કે, 'ભઈ, મને ખાતી વખતે અડચણ કરશો નહીં. તમારે પૈસા નિરાંતે ગણીને તિજોરીમાં મૂકવા ને તિજોરીમાંથી લેવા. એમાં ડખો ના કરે એવો કો'ક શેઠિયો હોય ! હિન્દુસ્તાનમાં એવા બે-પાંચ શેઠિયાઓ નિર્લેપ રહે એવા હોય ! તે મારા જેવા !! હું કોઈ દહાડો પૈસા ગણું નહીં !! આ શું ડખો ! આ લક્ષ્મીજીને આજે મેં વીસ-વીસ વર્ષથી હાથમાં નથી ઝાલ્યાં તો જ આટલો આનંદ રહે ને ! ન બગાડ્યો ઉપયોગ પૈસામાં પ્રશ્નકર્તા : આપે આપ્તવાણીમાં લખ્યું છે કે બેન્કમાં ગયા ને રૂપિયા કઢાવ્યા તો વળી ગણીને એમાં ઉપયોગ બગાડવાની જરૂર શી ? જે આપે એ ખિસ્સામાં મૂકી દેવાના. દાદાશ્રી : એવું છેને, હું વ્યવહારમાં ધંધો કરતો'તોને, ત્યારે રૂપિયા-રૂપિયાની નોટોની થોકડીઓ આપે, અગર તો પાંચ-પાંચની નોટોની થોકડીઓ આપે, એને ગણવા જઉં તો મારો ટાઈમ કેટલો બધો વેસ્ટ થાય ? બહુ ઝડપી મારું મશીન તો, મિનિટમાં ત્રણ હજાર રીવોલ્યુશન ફરે એવું મશીન ! હવે આ પાંચસો રીવોલ્યુશન શી રીતે સંધાય ? તોડી નાખે એ તો, એટલે બે-પાંચ નોટો ઓછી હશે, પચ્ચીસ રૂપિયા ઓછા હશે. બનતા સુધી ઓછા હોય જ નહીં, એવું આપણે જાણીએ. અને બહુ ત્યારે પચ્ચીસ ઓછા હશે. વધારે તો આવવાના જ નહીં પણ વગર કામનું બે રૂપિયા માટે ત્રણ-ત્રણ વખત ગણે લોકો ! સો રૂપિયામાં બે રૂપિયાની ભૂલ થાય ને, તો ત્રણ વખત ગણે. અલ્યા, વખત તો જુઓ ! અરે, પરચૂરણ હોય ને આઠ આના ઓછા થતા હોય તો સો રૂપિયા ફરી ગણે. હું આવું બધું ગણું નહીં. હું તો ઓછું-વધતું લઈ લઉં. વ્યવહાર શીખવ્યો આમ પ્રશ્નકર્તા : તો દાદા, આ ભાઈએ પૈસા આપ્યા, તો અહીં પૈસા ગણવાનું કેમ કહો છો ? દાદાશ્રી : આને ગણવાનું કહ્યું એનું શું કારણ ? કે તમારી ટેવ જુદી છે, મારી ટેવ જુદી છે. હું કોઈને માટે કશું વિચાર કરું એવો નથી. એમ માનો કે તમે છે તે એક હજાર રૂપિયા આ ભાઈને આપ્યા. એ ભાઈ વળી કોઈને કહે છે કે ઝાલજે, હું આવું છું. પેલાએ વચ્ચે સો કાઢી લીધા. હવે એ ભાઈએ ગણ્યા નથી. એ ભાઈ મને આપે કે આ હજાર. હું પાછો આ સાહેબને આપું કે હજાર લો. તો આ સાહેબ કહેશે કે સો ઓછા છે. કોણે લીધા હશે ? હવે કેટલા માણસને દુઃખદાયી થઈ પડે ? અને શંકા કોની પર રાખવી ? બીજું કશું નહીં, શંકા ઊભી થાય. એટલા હારુ આ બધાને કહી દઉં. મારી પાસેથી આપું તોયે કહું કે ગણીને લેવા. પછી મારી શંકા ના આવવી જોઈએ કે દાદાએ ઓછા આપ્યા. કાયદો સારો કે ખોટો ? પ્રશ્નકર્તા : સારો. દાદાશ્રી : અને હું ગણ્યા વગર લઉં તે મારે સ્થિરતા હોય છે. મને કોઈના ઉપર શંકા આવે જ નહીં. મારી જબરજસ્ત સ્થિરતા. એ બાબતમાં શંકા રાખું જ નહીં, વિચારું જ નહીં. આ બાબત ગૉન કોઈ પણ રસ્તે, આ આપનારે લીધું નથી. એટલે આ બધાને કહેલું કે ગણો. નહીં તો પછી તમારે તો વિચારમાં આવશે કે આ શું થયું ? પ્રશ્નકર્તા : આ તો એક વાક્ય દાદા આવું બોલે છે અને બીજું વાક્ય આવું કેમ કહેતા હતા એટલે આ પ્રશ્શન પૂછ્યો. દાદાશ્રી : એવું છેને, મારી દરેક બાબતમાં સ્થિરતા હોય અને તમારી સ્થિરતા હજુ ઉત્પન્ન થઈ નથી. ત્યાં સુધી ચેતજો. અને આ શીખવાડું છું કે સ્થિરતા કઈ રીતે કરાય અને છોડી જ દેવાનું, ભાંજગડ જ નહીં કરવાની. ગુણાકાર કરવાથી કશું વળતું નથી ને નકામા આરોપ જાય છે. સતી ઉપર શંકા થઈ તો રહ્યું શું તે ? વચ્ચે સારા માણસ હોય ને શંકા જાય તો શું રહ્યું આપણું ? અને એ જ માણસ માટે, એને હોટલમાં લઈ જવાનો હોય તો બસ્સો રૂપિયા ખર્ચીએ અને સો રૂપિયા માટે શંકા કરીએ. કેટલી બધી ભૂલ કહેવાય ? હું આવી ભૂલ ના કરું, મેં જિંદગીમાં આવી ભૂલ નથી કરી. પ્રશ્નકર્તા : પણ વ્યવહારમાં તો આવું બધું ઘણું થતું હોય છે. દાદાશ્રી : એ જ હું આ વ્યવહાર નવો શીખવાડું છુંને. શું પોષાય, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ ? એક બેન કહેતાં હતાં કે, 'આ સાલ આટલો બધો વરસાદ પડે છે, તો આવતી સાલ શું થશે ? પછી ભીડ પડશે !' લોક ભીડમાં યે આશા રાખે છે કે આ સાલ તો બે-ત્રણ લાખ રૂપિયા આવી જાય તો સારું. અલ્યા, હવે પછી તો બધાં વર્ષોમાં દુકાળ પડશે ! માટે આશા ના રાખીશ. લક્ષ્મીનો વરસાદ સામટો પડી ગયો, હવે તો પાંચ વર્ષ સુધી દુકાળ પડશે. એનાં કરતાં એના જે હપ્તાથી આવે છે ને, એ હપ્તાથી આવવા દે એ બરાબર છે. નહીં તો આખી મૂડી સામટી આવશે તો બધી વપરાઈ જશે. એટલે આ હપ્તા બાંધેલા છે તે બરાબર છે. આપણે તો સામાને સંતોષ થાય તેવું કરવું, 'વ્યવસ્થિત' જેટલી લક્ષ્મી મોકલે તેટલો સ્વીકાર કરવો. ઓછી આવે ને દિવાળી પર બસો-ત્રણસો ખૂટી પડ્યા તો આવતી દિવાળીએ વધારે વરસાદ પડશે (આવશે). માટે એનો વાંધો રાખવો નહીં. આ જુઓ નોટો ગણનારાને તાદ્રશ્ય આ શરીરમાં યે ભીડ પડે ત્યારે માણસ કંતાઈ જાય અને ભરાવો થાય ત્યારે સોજો ચઢે. સોજો ચઢે ત્યારે એ જાણે કે હું હવે જાડો થયો. અલ્યા, આ તો સોજા ચઢ્યા છે ! એટલે ભરાવો ના થાય તે ઉત્તમ અને એના જેવું કોઈ પુણ્યાનુબંધી પુણ્ય નહીં. ભેગા થાય તો ગણવાની ભાંજગડ થયા કરે ને ! દસ હજાર રૂપિયા હોય, તો રૂપિયે રૂપિયે દસ હજાર ગણવા જાય, તો ક્યારે પાર આવે ? એ પછી એક-બેની ભૂલ આવી તો ફરી પાછા ગણે. બરોબર ગણી રહે પછી સૂઈ જાય. ત્યારે એક જણ મને કહે કે, 'તમે શું કરો ?' મેં કહ્યું કે, 'આ તો દસ હજારની વાત કરે છે, પણ સોની નોટના છૂટા કો'ક દુકાનેથી લેવાના હોય, તો દુકાનદાર કહેશે, 'સાહેબ, ગણી લો.' હું કહું કે, 'તમારી પર મને બહુ વિશ્વાસ છે.' વખતે નવ્વાણું હશે તો ત્યારે રૂપિયો તો ગણવાની મહેનતનો જાય, પણ એ ગણવામાં ટાઈમ બળ્યો જતો રહે ને ! એટલે ભલે રૂપિયો ઓછો હશે, પણ ભાંજગડ નહીં ને ! એટલે હું કોઈ દહાડોય રૂપિયા ગણતો જ નથી. સોની નોટમાં તો સો રૂપિયા હોય અને ગણતાં ગણતાં તો દસ મિનિટ જતી રહે. પાછાં જીભને અંગૂઠો આમ અડાડ અડાડ કરે ! એવું કરવા કરતાં બે રૂપિયા ઓછા હશે તો ચાલશે. તેમાં પાછા જો એક-બે ઓછા હોય ને, તો સો રૂપિયા છૂટા આપનાર જોડે લડી પડે કે, 'આ તમે સો આપ્યા પણ પૂરા નથી. આમાં તો બે ઓછા છે.' ત્યારે પેલો કહશે કે, 'તમે પાછા ગણો, અમથા કચકચ ના કરશો, વધારે માથાકૂટ ના કરશો, નહીં તો લાવો મારા રૂપિયા પાછા.' ત્યારે પેલો પાછા ના આપે ને ફરી ગણવા બેસે ! અલ્યા, લેતી વખતે કકળાટ, કો'કને આપે ત્યારેય કકળાટ ને કકળાટ !! આવ્યો ત્યારે ઊંવા ઊંવા કરે (રડે) અને જતી વખતે 'ડૉક્ટર સાહેબ, મને બચાવજો, બચાવજો !' કરશે. ક્યારે તું કકળાટ વગરનો રહ્યો છે તે ?! તારો એક દહાડોય આનંદમાં નથી ગયો ! છતાં પોતે પરમાત્મા છે. એ કકળાટ કરે, પણ આપણે તો દર્શન કરવાં પડે ને ! એવું આ જગત છે. એટલે ભીડ ના પડે ને ભરાવો ના પડે ને, એ સારામાં સારું. વધુ પૈસો કરાવે ઉપાધિ મારે કોઈ દહાડો ભીડ પડી નથી ને ભરાવો થયો નથી. પૈસાનો ભરાવો થાય તો બહુ ઉપાધિ થાય, પાછા બેન્કમાં મૂકવાના ને બધી ઉપાધિ. પાછા સાળા આવે કે, તમારી પાસે તો ઘણા બધા રૂપિયા છે, તે દસ-વીસ હજાર આપો. પાછા મામાનો દીકરો આવે, પાછો જમાઈ આવે કે, 'મને લાખ રૂપિયા આપો.' મહીં ભરાવો હોય તો કહે-કહે કરે ને ? પણ ભરાવો જ ના હોય તો ? ભરાવો થયા પછી લોકોને કકળાટ થાય. 'આવન-જાવન' હિસાબસર જ લક્ષ્મી તો હાથનો મેલ છે, એ તો નેચરલ (કુદરતી) આવવાનો. તમારે આ સાલ પચાસ હજાર સાતસો ને પાંચ રૂપિયા એટલો હિસાબ આવવાનો હોય ને, તે હિસાબની બહાર કોઈ દહાડો જતું નથી અને છતાં આ વધારે આવતા દેખાય છે એ તો પરપોટાની પેઠે ફૂટી પણ જાય. પણ જેટલો હિસાબ છે એટલો જ રહેશે. આ અરધી તપેલી દૂધ હોય ને નીચે લાકડાં સળગાવ્યાં ને દૂધની તપેલી ઉપર મૂકી, તો દૂધ આખી તપેલી થાય ને, ઊભરાયાથી આખી તપેલી ભરાઈ, પણ તે ભરાઈ રહેલું ટકે છે ? એ ઊભરાયેલું ટકે નહીં. એટલે જેટલો હિસાબ છે એટલી જ લક્ષ્મી રહેશે. એટલે લક્ષ્મી તો એની મેળે જ આવ્યા કરે. હું 'જ્ઞાની' થયો છું, અમને સંસાર સંબંધનો વિચારેય નથી આવતો, તોય લક્ષ્મી આવ્યા કરે છે ને ! વિચરવું ના લક્ષ્મીના ધ્યાનમાં પૈસા તો જેટલા આવવાના હશે એટલા જ આવશે. ધર્મમાં પડશે તોય એટલા આવશે ને અધર્મમાં પડશે તોય એટલા આવશે. પણ અધર્મમાં પડશે તો દુરુપયોગ થશે ને દુઃખી થશે, અને આ ધર્મમાં સદુપયોગ થશે ને સુખી થશે અને મોક્ષે જવાશે તે વધારાનું. બાકી પૈસા તો આટલા જ આવવાના. પૈસા માટે વિચાર કરવો એ એક કુટેવ છે. લક્ષ્મી પ્રમાણસર આવ્યા જ કરે છે. તમારે કામ કર્યે જવાનું છે. કામમાં ગાફેલ નહીં રહેવાનું. લક્ષ્મી તો આવ્યા જ કરશે. લક્ષ્મીના વિચાર નહીં કરવાના કે આટલી આવજો ને તેટલી આવજો, કે આવે તો સારું, એવું વિચારવું નહીં. એનાથી તો લક્ષ્મીજીને બહુ રીસ ચઢે છે. મને લક્ષ્મીજી રોજ મળે છે ત્યારે હું તેમને પૂછું છું કે તમે કેમ રીસાણાં છો ? ત્યારે લક્ષ્મીજી કહે છે કે 'હવે આ લોકો એવાં થઈ ગયાં છે કે તમારે મારે ત્યાંથી જવાનું નહીં, એવું કહે છે.' ત્યારે લક્ષ્મીજી શું એના પિયર ના જાય ? લક્ષ્મીજીને ઘરની મહીં આંતરી રખાય ? લક્ષ્મી એ તો બાય પ્રોડક્ટ છે. જેમ આપણો હાથ સારો રહેશે કે પગ સારો રહેશે ? એનો રાતદહાડો વિચાર કરવો પડે છે ? ના, શાથી ? હાથ-પગની આપણને જરૂર નથી ? છે, પણ એનો વિચાર કરવો પડતો નથી. એવી રીતે લક્ષ્મીનો વિચાર કરવાનો નહીં. એને તરછોડ કેમ મરાય ? બીજી વાત કે લક્ષ્મીજીને તરછોડ ના મરાય. કેટલાક કહે છે કે 'હમકો લક્ષ્મી નહીં ચાહીએ, લક્ષ્મીજી કો તો હમ ટચ ભી નહીં કરતા.' એ લક્ષ્મીજીને ના અડે તેનો વાંધો નથી પણ આમ જે વાણીથી બોલે છે ને ભાવમાં એમ વર્તે છે એ જોખમ છે. બીજા કેટલાય અવતાર લક્ષ્મીજી વગર રખડે છે. લક્ષ્મીજી તો 'વીતરાગ' છે, 'અચેતન વસ્તુ' છે. પોતે તેને તરછોડ ના મારવી જોઈએ. કોઈને પણ તરછોડ મારી, પછી તે ચેતન હશે કે અચેતન હશે, તેનો મેળ નહીં ખાય. અમે 'અપરિગ્રહી છીએ' એવું બોલીએ, પણ 'લક્ષ્મીજીને ક્યારેય નહીં અડું' તેવું ના બોલીએ. લક્ષ્મીજી તો આખી દુનિયામાંના વ્યવહારનું 'નાક' કહેવાય. 'વ્યવસ્થિત'ના નિયમના આધારે બધાં દેવદેવીઓ ગોઠવાયેલાં છે. માટે ક્યારેય તરછોડ ના મરાય. એ તરછોડનાં પરિણામ શાં ? કેટલાક સાધુઓ, મહારાજો, બાવાઓ વગેરે લક્ષ્મીજીને દેખીને 'નહીં, નહીં, નહીં' કરે છે. તેનાથી એમના કેટલાય અવતાર લક્ષ્મી વગર રખડી મરશે ! તે મૂઆ, લક્ષ્મીજી ઉપર આવી તરછોડ ના કરીશ. નહીં તો અડવાયે નહીં મળે. આવતા ભવે લક્ષ્મીજીનાં દર્શને ય કરવા નહીં મળે. આ લક્ષ્મીજીને તરછોડ મારે છે એ તો વ્યવહારને ધક્કો મારવા જેવું છે. આ તો વ્યવહાર છે. તેથી અમે તો લક્ષ્મીને આવતાં યે 'જય સચ્ચિદાનંદ' ને જતાં યે 'જય સચ્ચિદાનંદ' કરીએ છીએ. આ ઘર તમારું છે, જ્યારે અનુકૂળ આવે ત્યારે પધારજો, એમ વિનંતી કરવાની હોય. અમને લક્ષ્મીજી કહે છે, 'આ શેઠિયા અમારી પાછળ પડ્યા છે. તે એમના પગ છોલાઈ ગયા છે, તે પાછળ દોડે છે ત્યારે બે-ચાર વખત પડી જાય છે, ત્યારે પાછા મનમાં એમ ભાવ કરે છે કે બળ્યું, આમાં તો ઢીંચણ છોલાય છે. પણ ત્યારે ફરી ઈશારો કરીએ છીએ ને ફરી પેલો શેઠિયો ઊભો થઈને દોડે છે. એટલે એમને અમારે માર માર કરવાના છે. એમને સોજા ચઢ્યા છે છતાં સમજણ નથી ખુલતી ! ત્યાં લક્ષ્મીજી યે કંટાળ્યાં તે હવે મને લક્ષ્મીજી કહે છે કે હું તો આ શેઠિયાઓને ત્યાં ખૂબ જ કંટાળી છું. તે હવે હું તમારા મહાત્માઓને ત્યાં જ જઈશ. કારણ જ્યારે તમારા મહાત્માઓને ત્યાં જાઉં છું ત્યારે ફૂલહાર લઈને સ્વાગત કરે છે અને પાછી જાઉં ત્યારેય ફૂલહાર પહેરાવીને વિદાય આપે છે. જે જે લોકો મને આંતરે છે ત્યાં હવે હું નહીં જાઉં અને જે જે મારો તિરસ્કાર કરે છે ત્યાં તો અનંતભવ સુધી હું નહીં જઉં ! રૂપિયા તો આવે ને દસ વરસ પછી તે લક્ષ્મી ના રહે. એ તો ફેરફાર થયા જ કરે, સંસરણ થયા કરે. લક્ષ્મીજી શું કહે છે ? પ્રશ્નકર્તા : આ લક્ષ્મીજી જે કમાય છે તે કેટલા પ્રમાણમાં કમાવી જોઈએ ? દાદાશ્રી : એવું કશું નહીં. આ સવારમાં રોજ નાહવું પડે છે ને ? છતાં પણ કોઈ વિચાર કરે છે કે એક લોટો જ મળશે તો શું કરીશ ? એવી રીતે લક્ષ્મીનો વિચાર ના આવવો જોઈએ. દોઢ ડોલ મળશે એટલું નક્કી જ છે અને ક્યારેક બે લોટા એ પણ નક્કી જ છે. એમાં કોઈ વધારે-ઓછું કરી શકતો નથી. માટે મન-વચન-કાયાએ કરીને લક્ષ્મી માટે તું પ્રયત્ન કરજે, ઇચ્છા ના કરીશ. આ લક્ષ્મીજી તો બેંક બેલેન્સ છે, તે બેંકમાં જમા હશે તો મળશે ને ? કોઈ લક્ષ્મીની ઇચ્છા કરે તો લક્ષ્મીજી કહે કે, 'તારે આ જુલાઈમાં પૈસા આવવાના હતા, તે આવતા જુલાઈમાં મળશે.' અને જો કહે કે, 'મારે પૈસા નથી જોઈતા એય મોટો ગુનો છે. લક્ષ્મીજીનો તિરસ્કારેય નહીં ને ઇચ્છા યે નહીં કરવી જોઈએ. એમનો તો નમસ્કાર કરવા જોઈએ. એમનો તો વિનય રાખવો જોઈએ. કારણ કે એ તો હેડ ઑફિસમાં છે. લક્ષ્મીજી કહે છે કે, 'જે ટાઈમે જે લત્તામાં રહેવાનું હોય તે ટાઈમે જ રહેવું જોઈએ અને અમે ટાઈમે ટાઈમે મોકલી જ દઈએ છીએ. તારા દરેક ડ્રાફ્ટ વગેરે ટાઈમસર આવી જશે પણ જોડે મારી ઇચ્છા ના કરીશ. કારણ કે કાયદેસર હોય છે તેને વ્યાજ સાથે મોકલાવી દઈએ છીએ. જે ઇચ્છા ના કરે તેને સમયસર મોકલીએ છીએ. બીજું લક્ષ્મીજી શું કહે છે કે, 'તારે મોક્ષે જવું હોય તો હકની લક્ષ્મી મળે તે જ લેજે , કોઈનીય લક્ષ્મી ઝૂંટવીને, ઠગીને ના લઈશ. જ્ઞાનીકૃપા શું ના કરે ? આ તો લોક આખો દહાડો આર્તધ્યાન ને રૌદ્રધ્યાન કરે છે. તેનાથી લક્ષ્મી તો આટલી જ આવવાની. ભગવાને કહ્યું કે લક્ષ્મી ધર્મધ્યાનથી વધે અને આર્તધ્યાન-રૌદ્રધ્યાનથી લક્ષ્મી ઘટે. આ તો લક્ષ્મી વધારવા માટે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ઉપયોગ કરે છે. એ તો પહેલાંની પુણ્યૈ જો હશે તો જ મળશે. આ 'દાદા'ની કૃપાથી તો બધું ભેગું થાય. કારણ શું ? એમની 'કૃપા'થી બધા અંતરાયો તૂટી જાય. લક્ષ્મી તો છે જ, પણ તમારા અંતરાયથી ભેગી થતી નહોતી. તે અંતરાયો 'અમારી' કૃપાથી તૂટે, તે પછી બધું ભેગું થાય. 'દાદા'ની કૃપા તો મનના રોગોના, વાણીના રોગોના, દેહના રોગોના, સર્વ પ્રકારના દુઃખના અંતરાયને તોડનાર છે. જગતનાં સર્વસ્વ દુઃખ અહીં જાય. નાણાંના અંતરાય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી કમાવાની ઇચ્છા હોય ત્યાં સુધી. નાણાં તરફ દુર્લક્ષ થયું એટલે એ ઢગલેબંધ આવે. શાને ન ટકે, લક્ષ્મી ? પ્રશ્શનકર્તા : હું દસ હજાર રૂપિયા મહિને કમાઉં છું, પણ મારી પાસે લક્ષ્મીજી ટકતી કેમ નથી ? દાદાશ્રી : ૧૯૪૨ પછીની લક્ષ્મી ટકતી નથી. આ લક્ષ્મી છે તે પાપની લક્ષ્મી છે, એથી ટકતી નથી. 'અમે' 'જ્ઞાની' છીએ તો પણ લક્ષ્મી આવે છે, છતાં ટકતી નથી. આ તો ઇન્કમટેક્ષ ભરાય એટલી લક્ષ્મી આવે એટલે પત્યું. પ્રશ્શનકર્તા : લક્ષ્મી ટકતી નથી તો શું કરવું ? દાદાશ્રી : લક્ષ્મી તો ટકે એવી જ નથી. પણ એનો રસ્તો બદલી નાખવાનો. પેલે (અવળે) રસ્તે જાય છે તો એનું વહેણ બદલી નાખવાનું ને ધર્મના રસ્તે વાળી નાખવાની. તે જેટલી સુમાર્ગે ગઈ એટલી ખરી. ભગવાન આવે પછી લક્ષ્મીજી ટકે, તે સિવાય લક્ષ્મીજી ટકે શી રીતે ? ભગવાન હોય ત્યાં ક્લેશ ના થાય ને એકલી લક્ષ્મીજી હોય તો ક્લેશ ને ઝઘડા થાય. લોકો લક્ષ્મી ઢગલાબંધ કમાય છે, પણ તે કમજરે જાય છે. કોઈ પુણ્યશાળીના હાથે લક્ષ્મી સારે રસ્તે વપરાય. લક્ષ્મી સારા રસ્તે વપરાય ને તે બહુ ભારે પુણ્ય કહેવાય. ૧૯૪૨ પછીની લક્ષ્મીમાં કશો કસ જ નથી. અત્યારે લક્ષ્મી યથાર્થ જગ્યાએ વપરાતી નથી. યથાર્થ જગ્યાએ વપરાય તો બહુ સારું કહેવાય. પૈસા ખોટે રસ્તે ગયા તો કંટ્રોલ કરી નાખવો ને પૈસા સારા રસ્તે વપરાય તો ડીકંટ્રોલ કરી નાખવાનો. કાળા નાણાનાં પરિણામ શાં ? આ કાળું નાણું કેવું કહેવાય એ સમજાવું. આ રેલ (પૂર)નું પાણી આપણા ઘરમાં પેસી જાય તો આપણને ખુશી થાય કે ઘેર બેઠાં પાણી આવ્યું. તે એ રેલ ઉતરશે ત્યારે પાણી તો ચાલ્યું જશે ને પછી જે કાદવ રહેશે તે કાદવને ધોઈને કાઢતાં કાઢતાં તો તારો દમ નીકળી જશે. આ કાળું નાણું રેલનાં પાણી જેવું છે. તે રોમે રોમે કૈડીને જશે. માટે મારે શેઠિયાઓને કહેવું પડ્યું કે ચેતીને ચાલજો. સંગ્રહની સમજ પ્રશ્નકર્તા : આપે આ ધનની બાબતમાં કહ્યું એવું જ ધંધાની બાબતમાંને ? દાદાશ્રી : ધંધાની બાબતમાં એવું જ રાખવાનું. ધંધામાં સિન્સિયર રહેવાનું પણ ચીકાશ નહીં. થશે હવે, હવે તો 'વ્યવસ્થિત'. મોડું થશે તો કશો વાંધો નહીં. એવું ના હોવું જોઈએ. 'વ્યવસ્થિત' છે, મોડું થશે, શું વાંધો છે ? આ શબ્દો ના હોવા જોઈએ. ત્યાંય સિન્સિયારીટી જોઈએ. પ્રશ્નકર્તા : ધનનો સંગ્રહ કરે એ ચીકાશમાં ગણાય કે નહીં ? દાદાશ્રી : ના, સંગ્રહ કરવામાં વાંધો નથી. સંગ્રહ તો કરવો જોઈએ. ફેંકી દેવું એનું નામ ચીકણું થયું કહેવાય. સારા ઉપયોગ સિવાય ફેંકી દેવું એ બગડે. સંગ્રહ કરેલું ના બગડે. સંગ્રહ તો કામ લાગશે. તમને હેલ્પ કરશે. પણ ચીકણું ના હોવું જોઈએ, એની પર ! અને સંગ્રહ કરેલું યાદ ના રહેવું જોઈએ. ભલેને વીસ લાખ હોય, ચીકણું ના કરો બસ. મને તો ઘી અડે તોય ચીકાશ નહીં. જે રેડો તે ચીકાશ નહીં. ઘણાંની જીભ એવી હોય છે કે તેની પર ઘી મૂકો તોય જીભ ચીકણી ના થાય અને ઘણાંને તો દૂધ પીએ તોય જીભ ચીકણી થઈ જાય. જીભમાં એવી કેપેસિટી હોય છે કે ગમે તેવી ચીકાશને ઊડાવી મૂકે છે. એવું આમાંય કંઈક કેપેસિટી હોય છે, અને તે તમને ઉત્પન્ન થશે હવે ! જગતનું સરવૈયું શું ? કોના હાથમાં સત્તા છે, એનું સરવૈયું કાઢો ! તમે સરવૈયું કાઢેલું કે ? પ્રશ્નકર્તા : આ જ્ઞાન પછી માલૂમ પડે. દાદાશ્રી : હા, પહેલાં તો ખબર જ ના પડે ને ? ગૂંચાયેલું બધું; આખા ચોપડા જ ગૂંચાયેલા. આમાં કોઈ માણસથી આ સરવૈયું નીકળે એવું નથી. પ્રશ્નકર્તા : આપ જે કહો છો એ બધી વાતો પહેલાં સાંભળેલી જ નહીં. દાદાશ્રી : સાંભળેલી જ નહીં ને ! ક્યાંય આવી વાતો ના હોય. આ બધી વાતો અપૂર્વ છે, પૂર્વે સાંભળેલું ના હોય, વાંચેલું ના હોય. આ તદ્દન નવી જ ઢબ છે ! અને તો જ ઉકેલ આવે ને, નહીં તો ઉકેલ કેમ આવે ? ખોટ ત્યાંથી જ નફો ! મેં નાની ઉંમરમાં હિસાબ કાઢેલો કે અમુક બજારની ખોટ ગયેલી હોય, તે અમુક બજારથી વાળવા જઈએ તો શું થાય ? એ ખોટ ના નીકળે. કેટલાક માણસો એટલા હલકા વિચારના હોય છે. ખોટ કોન્ટ્રાક્ટના ધંધામાં ગયેલી હોય અને પાનની દુકાનમાંથી ખોટ કાઢવા જાય. અલ્યા, ખોટ એમ ના નીકળે. કોન્ટ્રાક્ટના ધંધાની ખોટ કોન્ટ્રાક્ટથી નીકળે પણ એ પાનની દુકાન કરે, પણ એનાથી કશું વધે નહીં, ઉલટો લોક તારો ગલ્લોય લઈ જશે ને તારું તેલ કાઢી નાખશે. એનાં કરતાં પૈસા ના હોય તોયે ત્યાં જઈને ઊભા રહેવાનું. તે દહાડે જરા સારું પેન્ટ પહેરીને જવાનું. કોઈની દોસ્તી થઈ તો કામ પાછું ચાલુ થઈ જાય અને એને દોસ્ત-બોસ્ત બધું મળી આવે. આપણે નક્કી કરવું કે ખોટું નથી કરવું, કાયમને માટે ખોટું નથી કરવું અને રૂપિયા, આપી દેવા છે, વહેલે-મોડે પણ આપી દેવા છે. આ જિંદગીમાં તો અવશ્ય આપી દેવા છે એવું નક્કી કરવું જોઈએ. એટલે નિયમ કેવો છે, જ્યાં જે બજારમાં ઘા પડ્યો હોયને, તે બજારમાં જ ઘા રૂઝાય. એવું છે, જ્યાં ઘા થયો હોયને તે એરિયામાં જ એની રૂઝાવાની દવા હોય. આપણે જે ગુનો કરી આવ્યા એ ગુનાની જગ્યાએ હિસાબ પૂરો ના કરીએ તો બીજી જગ્યાએ ગુના ના કરાય પણ આ તો બુદ્ધિ જ ફસાવે છે. ભગવાને મોક્ષે જવું હોય દ્રવ્યને ગણકાર્યું નથી. એટલે આપણે તો એક જ ભાવ રાખવો કે કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો અને બીજું એ કે કોઈનીય લક્ષ્મી આપણી પાસે ના રહે. કારણ કે લક્ષ્મી એ અગિયારમો પ્રાણ છે. મનુષ્યના દસ પ્રાણ છે. પછી લક્ષ્મીને અગિયારમો પ્રાણ કહ્યો છે. માટે કોઈનીય લક્ષ્મી આપણી પાસે ના રહે. આપણી લક્ષ્મી કોઈની પાસે રહે તેનો વાંધો નથી. એ ધ્યેય નિરંતર રહેવો જોઈએ. પછી તમે ખેલ ખેલો તો વાંધો નથી. એ ધ્યેય લક્ષમાં રાખીને તમે ખેલ ખેલો પણ ખેલાડી ના થઈ જશો. ખેલાડી થઈ ગયા કે તમે ખલાસ. એટલે આ જગતના કંઈ 'લૉ' તો હશે જ ને ! દરેક ધંધા ઉદય-અસ્તવાળા છેને ! બધું ઉદય-અસ્તવાળું જ હોય. છૂટો વેરથી અમારા એક ઓળખાણવાળા રૂપિયા ઉધાર લઈ ગયેલા, પછી પાછા આપવા જ ના આવ્યા. તે અમે સમજી ગયા કે આ વેરથી બંધાયેલું હશે, તે ભલે લઈ ગયો અને ઉપરથી અમે તેને કહ્યું કે, 'તું હવે અમને રૂપિયા પાછા ના આપીશ. તને છૂટ છે.' આ પૈસા જતા કરીને ય વેર ભંગાતું હોય તો ભાંગો. જે તે રસ્તે પણ વેર છોડો, નહીં તો એક માણસ જોડેનું વેર પણ ભટકાવશે. એ અમારી ગેરેન્ટી સંસાર એ વ્યવહારમાર્ગ કહેવાય. વ્યવહાર-માર્ગવાળાને અમે કહીએ છીએ, કે સંપૂર્ણ નીતિ પાળ. તેમ ન થાય તો નીતિ નિયમસર પાળ. કે ભઈ, મારે આટલી નીતિ પાળવી છે. તેમ ન થાય તો, અનીતિ કરું તોય નિયમમાં રહીને કર ! નિયમ જ તને આગળ લઈ જશે !!! એ અમારી ગેરન્ટી છે ! કારણ કે કળિયુગમાં છોડાવનાર જોઈએ. વાત સમજો, જ્ઞાનીની ભાષામાં મૂળ વસ્તુસ્થિતિમાં હું શું કહેવા માગું છું એ જો સમજે ને તો કલ્યાણ થઈ જાય. દરેક વાક્યમાં હું શું કહેવા માગું છું, એ આખી વાત જ જો સમજવામાં આવે તો કલ્યાણ થઈ જાય. પણ જો એ એની ભાષામાં વાતને લઈ જાય તો શું થાય ? દરેકની ભાષા સ્વતંત્ર હોય જ, તે પોતાની ભાષામાં લઈ જઈને ફિટ કરી દે, પણ આ એની સમજણમાં ના આવે કે 'નિયમથી અનીતિ કર !' પ્રશ્નકર્તા : દાદા, મેં પણ જ્યારે પહેલી વખત વાંચ્યું ત્યારે હું એકદમ વિચાર કરતો થઈ ગયો, કે દાદા આ શું કહેવા માગે છે ! પછી મને લાગ્યું કે આ તો બહુ ગજબનું વાક્ય છે ! દાદાશ્રી : હા, અક્રમ વિજ્ઞાન એટલે શું કે નેગેટિવ પોલિસી જ નહીં કે 'તમે કેમ ચોરીઓ કરો છો ને તમે કેમ જૂઠું બોલો છો ? કેમ વ્યવહાર ખરાબ કરો છો ?' એવીતેવી નેગેટિવ પોલિસી જ નહીં. બદલાવો, જીવનનો હેતુ આમ જગત આખાને લક્ષ્મીની જરૂર છે. માટે આપણે એવી તો શું મહેનત કરીએ કે પૈસા આપણી પાસે આવે ! એ સમજવાની જરૂર છે. લક્ષ્મી એ બાય પ્રોડક્શન છે. માટે એની મેળે પ્રોડક્શનમાંથી આવશે, સહજ સ્વભાવે આવે એવી છે. ત્યારે લોકોએ લક્ષ્મીનાં કારખાનાં કાઢ્યાં, પ્રોડક્શન જ એને બનાવી દીધું. આપણે તો ખાલી હેતુ જ બદલવાનો છે, બીજું કશું કરવાનું નથી. પંપના એન્જિનનો એક પટ્ટો આને આપે તો પાણી નીકળે અને આ બાજુ પટ્ટો આપો તો ડાંગરમાંથી ચોખા નીકળે, એટલે ખાલી પટ્ટો આપવામાં જ ફેર છે. હેતુ નક્કી કરવાનો છે અને એ હેતુ પછી આપણને લક્ષમાં રહેવો જોઈએ. બસ, બીજું કશું જ નથી. લક્ષ્મી લક્ષમાં રહેવી ના જોઈએ. પામો જ્ઞાનીનો અંતર હેતુ દરેક કામનો હેતુ હોય કે શા હેતુથી આ કામ કરવામાં આવે છે ! એમાં ઉચ્ચ હેતુ જો નક્કી કરવામાં આવે એટલે શું કે આ દવાખાનું કાઢવું છે, એટલે પેશન્ટો કેમ કરીને આરોગ્ય પ્રાપ્ત કરે, કેમ કરીને સુખી થાય, કેમ એ લોકો આનંદમાં આવે, કેમ એમની જીવનશક્તિ વધે, એ તો આપણો ઉચ્ચ હેતુ નક્કી કર્યો હોય અને સેવાભાવથી જ એ કામ કરવામાં આવે ત્યારે એનું બાય પ્રોડક્શન કયું ? લક્ષ્મી ! એટલે લક્ષ્મી એ બાય પ્રોડક્ટ છે. એને (મેઈન) પ્રોડક્શન ના માનશો. જગત આખાએ લક્ષ્મીને જ (મેઈન) પ્રોડક્શન કહી, એટલે પછી એને બાય પ્રોડક્શનનો લાભ મળતો નથી. એટલે સેવાભાવ એકલો જ તમે નક્કી કરો તો એનાં બાય પ્રોડક્શનમાં લક્ષ્મી તો પછી વધારે આવે. એટલે લક્ષ્મીને જો બાય પ્રોડક્શન જ રાખે તો લક્ષ્મી વધારે આવે, પણ આ તો લક્ષ્મીના હેતુ માટે કરે છે તેથી લક્ષ્મી આવતી નથી. માટે આ તમને હેતુ કહીએ છીએ કે આ હેતુ ગોઠવો. 'નિરંતર સેવાભાવ.' તો બાય પ્રોડક્ટ એની મેળે જ આવ્યા કરશે. જેમ બાય પ્રોડક્ટમાં કશી મહેનત કરવી નથી પડતી, ખર્ચો નથી કરવો પડતો, એ ફ્રી ઑફ કોસ્ટ હોય છે, એવું આ લક્ષ્મી પણ ફ્રી ઑફ કોસ્ટ મળે એ કેવી સારી ! એટલે સેવાભાવ નક્કી કરો, મનુષ્યમાત્રની સેવા. કારણ કે આપણે દવાખાનું કર્યું, એટલે આપ ણે જે વિદ્યા જાણતા હોય તો વિદ્યા સેવાભાવમાં વાપરવી, એટલો જ આપણો હેતુ હોવો જોઈએ. એના ફળ રૂપે બીજી વસ્તુઓ ફ્રી ઑફ કોસ્ટ મળ્યા કરે. અને પછી લક્ષ્મી તો કોઈ દહાડોય ખૂટે નહીં અને જે લક્ષ્મી માટે જ કરવા ગયેલા એમને ખોટ આવેલી. હા, વળી લક્ષ્મી માટે જ કારખાનું કાઢ્યું પછી બાય પ્રોડક્ટ તો રહ્યું જ નહીંને ! કારણ કે લક્ષ્મી એ જ બાય પ્રોડક્ટ છે. આપણે પ્રોડક્શન નક્કી કરવાનું એટલે બાય પ્રોડક્શન ફ્રી ઑફ કોસ્ટ મળ્યા કરે. બીજું બધું જ પ્રોડક્શન બાય પ્રોડક્ટ હોય છે, એમાં તમારે જોઈતી બધી જ વસ્તુઓ મળ્યા કરે અને તે ઇઝિલી મળ્યા કરે. જુઓને ! આ પ્રોડક્શન પૈસાનું કર્યું છે એટલે આજે પૈસા ઇઝિલી મળતા નથી. દોડધામ, રઘવાયા રઘવાયા ફરતા હોય એવા ફરે છે અને મોંઢા પર દિવેલ ચોપડીને ફરતા હોય એવા દેખાય ! ઘરનું સુંદર ખાવાનું-પીવાનું છે, કેવી સગવડ છે ! રસ્તા કેવા સરસ છે ! રસ્તા પર ચાલીએ તો પગ ધૂળવાળા ના થાય ! માટે મનુષ્યોની સેવા કરો. મનુષ્યમાં ભગવાન રહેલા છે. ભગવાન મહીં જ બેઠા છે. બહાર ખોળવા જાવ તો તે મળે એવા નથી. તમે મનુષ્યોના ડૉક્ટર છો એટલે તમને મનુષ્યોની સેવા કરવાનું કહું છું. જાનવરોના ડૉક્ટર હોય તો તેમને જાનવરોની સેવા કરવાની કહું. જાનવરોમાં પણ ભગવાન બેઠા છે, પણ આ મનુષ્યમાં ભગવાન વિશેષ પ્રગટ થયા છે ! આત્મા પ્રાપ્ત કરવા માટે જે કરવામાં આવે છે, તે પ્રોડક્શન છે અને તેને લીધે બાય પ્રોડક્શન છે ને સંસારમાં બધી જરૂરિયાત પ્રાપ્ત થાય છે. હું મારું એક જ જાતનું પ્રોડક્શન રાખું છું, 'આખું જગત પરમ શાંતિને પામો અને કેટલાક મોક્ષને પામો.' મારું આ પ્રોડક્શન અને એનું બાય પ્રોડક્શન મને મળ્યા જ કરે છે ! આ ચા-પાણી અમને તમારા કરતાં જુદી જાતનાં આવે છે. એનું શું કારણ ? તે તમારા કરતાં મારું પ્રોડક્શન ઊંચી જાતનું છે. એવું તમારું પ્રોડક્શન ઊંચી જાતનું હોય તો બાય પ્રોડક્શન પણ ઊંચી જાતનું આવે. જગતનું કામ કરો, તમારું કામ થયા જ કરશે. જગતનું કામ કરશો ત્યારે તમારું કામ એમ ને એમ થયા કરશે, ત્યારે તમને અજાયબી લાગશે ! ઉપાય, લોભની ગ્રંથિ છેદવાનો પ્રશ્નકર્તા : દાદા, આ અમારી લોભની ગાંઠ તોડવા શું ઉપાય કરવો ? દાદાશ્રી : શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું કે જ્ઞાની પુરુષ જે મોક્ષ આપે છે. મોક્ષદાતા પુરુષ હોય, મોક્ષનું દાન આપવા આવેલા હોય એવા જ્ઞાની પુરુષની તન, મન, ધનથી સેવા કરવી. ત્યારે કહે, 'સાહેબ, તન, મન તો અમે અર્પણ કરીએ છીએ. પણ ધનની એમને જરૂર જ નથી. ત્યારે કહે કે તારી લોભની ગાંઠ કોણ તોડી આપશે ? જ્ઞાની પુરુષ તને એમ કહેશે કે આ ફલાણી જગ્યાએ ધર્માદામાં એ રકમ આપી દે. એટલે એમના આધારે તું આપીશ. નહીં તો તું તારી જાતે નહીં આપું. જાતે તું કપાઈ મરું તોય નહીં આપું. એમના આધારે, એમના ઉપર પ્રેમ છે એ પ્રેમના આધારે તું આપીશ તો તારી ગ્રંથિ તૂટી ગઈ અને એક ફેરો આપે એટલે મન છૂટું થઈ જાય. પછી લોભ છૂટી જાય. એક ફેરો આપવું જોઈએ. આ ગ્રંથિઓ જ છે. લોભ છે ત્યાં સુધી એનો નિવેડો નહીં આવે. એટલે આ લોભને તોડવા માટે કરે છે. નહીં કે તારી મૂડી ઓછી કરવા. પ્રશ્નકર્તા : ત્યાં સુધી ભક્તિ ઊગતી નથી. દાદાશ્રી : હા, ભક્તિ ઊગતી નથી. પરિણામ પામતી નથી અને એમણે કહેલું તે પાછું અનુભવનું કહેલું. નહીં તો આપણે ક્યાં ભાંજગડ કરીએ, આ ગાંઠો ઓગાળવાની ? સમર્પણનું સાયન્સ તમે જે પામવા માગો છો તે મારી પાસેથી ક્યારે પામો ? મારી નજીક ક્યારે આવી શકાય ? તમારી વહાલામાં વહાલી ચીજ મને અર્પણ કરો ત્યારે. સંસારમાં, વ્યવહારમાં જે વહાલી ચીજ છે તે મને અર્પણ કરો તો નજીક આવી શકાય. તમે તો આ મન, વચન, કાયા મને અર્પણ કર્યા. પણ હજુ એક ચીજ બાકી રહી ગઈ, લક્ષ્મી ! એ તમે અર્પણ કરો તો નજીક આવી શકાય. હવે મારે તો જરૂર ના હોય. એટલે અમને કેમની અર્પણ કરો ? ત્યારે કહે કે એવો કંઈ રસ્તો નીકળે તો અર્પણ કરી શકાય ! એટલે આ ગઈ સાલ તમે લક્ષ્મી આપી ત્યારથી તમારું વધારે ચોંટ્યું એવું તમને લાગે છે ? પ્રશ્નકર્તા : હા, દાદા. દાદાશ્રી : એ આ જ કળા આની, નહીં તો ચોંટે નહીં. છૂટું ને છૂટું જ રહ્યા કરે. હવે આપણે ત્યાં તો પૈસા લેવા માટેનું કશું હતું જ નહીંને ! આપણે તો લેતા જ ન હતાને ! ત્યાં સુધી મન છેટું ને છેટું જ રહ્યા કરે. પૈસાની બાબત આવી એટલે ત્યાં મન ચોંટ્યું હોય. નહીં તો મન ત્યાંથી ઊખડી જાય. જ્ઞાની પુરુષ ઉપર લોકોની પ્રીતિ હોય, એટલે જ્ઞાની પુરુષ કહેશે કે તું આમ બહાર આપી દે ! લક્ષ્મી ઉપરનો પ્રેમ ઘટ્યો કે આત્મા થઈ ગયો ! નાણું આપો સીમંધર સ્વામીના દેરામાં તમારી પાસે વધારે નાણું હોય તો ભગવાનના કે સીમંધર સ્વામીના દેરાસરમાં આપવા જેવું બીજું એકેય સ્થાન નથી. અને ઓછું નાણું હોય તો મહાત્માઓને જમાડવા જેવું બીજું એકુંય નથી ! અને એથી ઓછું નાણું હોય તો કોઈ દુઃખીયાને ત્યાં આગળ આપજો. અને તેય રોકડાથી નહીં, ખાવાનું-પીવાનું બધું પહોંચાડીને ! ઓછા નાણામાંય દાન કરવું હોય તો પોષાય કે ના પોષાય ? સર્વસ્વ સમર્પણ સુચરણોમાં આ અમે વાતચીત કરી એ પ્રમાણે તમે બધું ગોઠવી દેશો તો બધું નીકળી જશે. દાદાના આધારે કર્યું એટલે સર્વ આધાર તૂટી ગયા. બધા આધાર તૂટી ગયા ને તે જ આત્મા હતા અને તેને સંસારના ભય છૂટ્યા. નહીં તો એક ગીની રાખી મૂકે. કહેશે, કામ લાગે ! અલ્યા, આટલું બધું શાને માટે ભડકે છે ? આટલા બધા માટે નથી ભડકતો ને થોડા હારુ ભડકે છે ? સર્વસ્વ અર્પણતા જ જોઈએ, સર્વસ્વ ! પ્રશ્નકર્તા : આ સર્વસ્વ અર્પણતા જ છેને ! દાદા, શું બાકી રહ્યું ? મને દાદા સિવાય કશું ખપતું નથી. દાદાશ્રી : તમારું બાકી છે તે થઈ જશે હવે. બીજું બધુંય છે. પણ આ જે છેને, આ તમારું ને આ મારું એ ભેદ ઉડાડવા માટે ઘેર મેં તમને કહ્યું હતું કે આટલા છે તે બેનને આપી દેવા. તમારે માથે કશું નહીં રહે એવું કરી નાખો. વેરોય ભરવાનો ના રહે ! મારી માફક રહો. મારે પૈસા જોઈતા હોય તો હું કહું કે, 'નીરુબેન, આપો મને' ! અને તમારે જરૂરેય શાના માટે ? એ તો બધું લોકો આપનાર હોય જ જોડે. એટલે પછી આત્મામાં રહે, આત્મા જો આત્મામાં આવી ગયોને તો છૂટો ! નહીં તો કહેશે, મારે આ છેને, આ છેને, તે આધાર ! શું સમજ્યા તમે ? શું આધાર રાખે ? જે બે-પાંચ લાખ રૂપિયા હોય તેનો ! પ્રશ્નકર્તા : માંદગી આવીને ખર્ચ થયો. હતું તો ખર્ચ્યા, નહીં તો કોણ જુએ ? દાદાશ્રી : નહીં, નહીં, આપણે જેને જોનાર છે, જોશે એવું માનીએ છીએને, તેય છેવટે ખોટું પડે છે, દગો નીકળે છે. માટે આ ઊંચામાં ઊંચું છે કે બધું ભગવાનને ઘેર ! જવાબદારી દાદાની પછી ! મારી પાસે ચાર આનાય રાખવાના નથી. બધા અહીં (મંદિરમાં) મૂકી દેવાના, બધુંય અને ભવિષ્યમાં આવશે તેય ત્યાં જ. બાની જમીનના આવવાના છે તેય ત્યાં મૂકીશ. મારે કશું જોઈતું નથી. મારે શેના માટે ? અમેરિકાવાળા મને ગાડી આપવા માગે છે. હું શેના માટે લઉં ? અહીં માંગો, મૂકો નહીં કેટલાક લોકો અહીં આવીને પૈસા મૂકે છે. અલ્યા, અહીં પૈસા મૂકવાના ના હોય, અહીં માંગવાના હોય. અહીં મૂકવાનું હોતું હશે ? જ્યાં બ્રહ્માંડનો માલિક બેઠેલો છે ત્યાં તો મૂકવાનું હોતું હશે ? આપણે માંગવાનું હોય કે મને આવી અડચણ છે તે કાઢી આપજો, બાકી પૈસા તો કોઈ ગુરુને મૂકજે. એમને કંઈ લૂગડાં જોઈતાં હોય, બીજું કશું જોઈતું હોય. જ્ઞાની પુરુષને તો કશું જ જોઈતું હોય નહીં ! આ સંઘ એટલો બધો ચોખ્ખો છે કે એમાં હું તો મારા ઘરનાં કપડાં, ધોતિયાં પહેરું છું, મારી પોતાની કમાણીના જ પૈસામાંથી. સંઘના પહેરતો હોત તો ધોતિયા ચારસો-ચારસોના મળેને ? અરે, હું તો નથી લેતો, પણ આ નીરુબેન પણ નથી લેતા ! આ નીરુબેનેય મારી જોડે રહે છે તે કપડાં પોતાનાં ઘરના પહેરે છે. પૈસા નહીં, દુઃખ લેવા આવ્યો છું તમને જે દુઃખ છે તે અમારે તો વચ્ચે 'આ બાજુ'નો ફોન પકડ્યો ને 'આ બાજુ' કરવાનો. અમારે વચ્ચે કશું નહીં, ખાલી એક્સચેન્જ કરવાનું. નહીં તો અમને જ્ઞાની પુરુષને આ હોય જ નહીંને ! જ્ઞાની પુરુષ આમાં કંઈ હાથ ઘાલે નહીં. પણ આ બધાના દુઃખ સાંભળવા પડ્યાં છેને ! આ દુઃખ બધાં મટાડવા પડ્યાં હશેને ? અડચણ પડે તો રૂપિયા માંગવા આવજે. હવે હું તો રૂપિયા આપતો નથી. હું ફોન કરી દઈશ બરોબર ! પણ લોભ ના કરીશ. તને અડચણ હોય તો જ આવજે. તારી અડચણ પૂરતું બધું જ કરીશ પણ લોભ કરવા જઈશ તે ઘડીએ હું બંધ કરી દઈશ. તમારાં દુઃખો મને સોંપી દો અને જો તમને વિશ્વાસ હોય તો તે તમારી પાસે નહીં આવે. મને સોંપ્યા પછી તમારો વિશ્વાસ તૂટશે તો તમારી પાસે પાછાં આવશે. એટલે તમારે કંઈક દુઃખો હોય તો મને કહેવું કે 'દાદા' આટલા દુઃખ મને છે તે હું તમને સોંપી દઉં છું. એ હું લઉં તો નિવેડો આવે, નહીં તો નિવેડો કેમ આવે ? હું આ દુનિયામાં દુઃખો લેવા આવ્યો છું. તમારાં સુખ તમારી પાસે રહેવા દો એમાં તમને વાંધો ખરો ? તમારા જેવા અહીં મને પૈસા આપે તો મારે પૈસાનું શું કરવાનું ? હું તો દુઃખ લેવા આવ્યો છું. જ્યાં જ્ઞાની હોય ત્યાં પૈસાની લેવડદેવડ ના હોય. જ્ઞાની તો ઊલટાં તમારાં બધાં દુઃખો કાઢવા માટે આવ્યા હોય, દુઃખ ઊભાં કરવા માટે ના આવ્યા હોય. પ્યૉર જ પ્યૉર બોલી શકે પ્રશ્નકર્તા : આપ આવું બોલ્યા. બીજો કોઈ આવું કહેતો નથી. દાદાશ્રી : હા, પણ પ્યૉર થયો હોય તો બોલેને ! નહીં તો એ શી રીતે બોલે ? એમને તો આ દુનિયાની લાલચ જોઈએ છે અને આ દુનિયાનાં સુખો જોઈએ છે, એ શું બોલે તે ? એટલે પ્યૉરિટિ હોવી જોઈએ. આખા વર્લ્ડની ચીજો અમને આપે તો અમને એની જરૂર નથી, આ વર્લ્ડનું સોનું અમને આપે તોય અમને એની જરૂર નથી. આખા વર્લ્ડના રૂપિયા આપે તોય અમારે જોઈતા નથી. સ્ત્રીસંબંધી વિચાર જ ના આવે. એટલે આ જગતમાં કોઈ પણ પ્રકારની અમને ભીખ નથી. આત્મદશા સાધવી, એ કંઈ સહેલી વાત છે ? મને અમેરિકામાં ગુરુપૂર્ણિમાને દહાડે સોનાની ચેઈન પહેરાવી જતા હતા, બબ્બે ત્રણ-ત્રણ તોલાની ! પણ હું બધાને પાછી આપી દેતો, કારણ કે મારે શું કરવી છે ? ત્યારે એ બેન રડવા માંડી કે 'મારી માળા તો લેવી જ પડશે.' ત્યારે મેં એને કહ્યું 'હું તને એક માળા પહેરાવું તો પહેરીશ ?' તો એ બેન કહે છે, 'મને કંઈ વાંધો નથી, પણ તમારું મારાથી ના લેવાય.' ત્યારે મેં કહ્યું, 'હું તને બીજા પાસેથી પહેરાવડાવું. એક મણ સોનાની માળા કરાવીએ અને પછી રાતે પહેરીને સૂઈ રહેવું પડશે. એવી શરત કરીએ તો પહેરીને સૂઈ જાય ખરી ? બીજે દહાડે કહેશે, 'લ્યો દાદા, આ તમારું સોનું.' સોનામાં સુખ હોય તો સોનું વધારે મળે ત્યારે આનંદ થાય. પણ આમાં સુખ છે, એ માન્યતા છે તારી, રોંગ બિલિફ છે. આમાં સુખ હોતું હશે ? સુખ તો કોઈ ચીજ ન લેવાની હોય ત્યાં સુખ છે. આ વર્લ્ડમાં કોઈ ચીજ ગ્રહણ કરવાની ન હોય ત્યાં સુખ છે. લેનાર થાય નાદાર આ દુનિયાની કોઈ પણ ચીજ, એક રૂપિયો પણ જો હું વાપરું તો હું એટલો નાદારીમાં જઉં. ભક્તોની એક પઈ પણ ના વપરાય. આ વેપાર જેણે કાઢ્યા છે એ પોતે નાદાર સ્ટેજમાં જશે. એટલે જે કંઈ એની આ સિદ્ધિ પ્રાપ્ત છે, એ ખોઈને જતા રહેશે. જે થોડીઘણી સિદ્ધિ પ્રાપ્ત થઈ તેના આધારે માણસો બધા ભેગા થતા હતા. પણ પાછી સિદ્ધિ ખલાસ થઈ જાય. કોઈ પણ સિદ્ધિનો દુરુપયોગ કરો તો સિદ્ધિ ખલાસ થઈ જાય. સોનું કે ગાળીયું ? આ દુનિયામાં પ્યૉરિટિ હોય નહીં, બધું ઇમ્પ્યૉર. હવે કોઈ જગ્યાએ સંતપુરુષ સારા હશે. સીધા માણસો હોય ત્યારે આવડત ના હોય ! સીધા ખરા મહીં ! હું તો લોકોની પાસે પૈસા લઉં તો મને તો લોકો જોઈએ એટલા પૈસા આપે. પણ મારે પૈસાને શું કરવાના ? કારણ કે એ બધી ભીખ ગયા પછી તો મને આ જ્ઞાનીનું પદ મળ્યું ! 'અમે' આઉટ ઑફ બાઉન્ડ્રીમાં એક ઘર ચોખ્ખું રાખવાનું, આ દુનિયામાં બીજા ઘણા માણસો ચોખ્ખા હશે. પણ તે ચોખ્ખાયે એની બાઉન્ડ્રીના છે. આઉટ ઑફ બાઉન્ડ્રી રહી શકે નહીં. આ આઉટ ઑફ બાઉન્ડ્રી ! અત્યારે વર્લ્ડની બાઉન્ડ્રીમાં રહ્યું ! બધું પાસે હોવા છતાંય નહીં ભોગવવાનું. પોતપોતાની પાસે હોવા છતાંય અમારે વિચાર ના ઉત્પન્ન થાય. ને પેલાની પાસે નથી એટલે વિચાર ઉત્પન્ન થતો નથી. જ્યાં સુધી લાંચના પૈસા કોઈ આપનાર આવેલો નથી, ત્યાં સુધી લાંચના વિચાર ના આવે. એવો એવિડન્સ ઊભો નહીં થયો. અને એવા કડક માણસોયે છે, કે જે આપવા આવે તોય ના લે એવાયે છે. પણ તે બાઉન્ડ્રીમાં કહેવાય. આઉટ ઑફ બાઉન્ડ્રી મનુષ્ય રહી શકે નહીં. એ તો જ્ઞાની પુરુષનું જ કામ. જે દેહથી પર થયેલા હોય, દેહાતીત થયેલા હોય, બીજાનું કામ નહીં. પ્યૉરિટિ જ આકર્ષે સહુને આ દુનિયામાં જેટલી સ્વચ્છતા તમારી એટલી દુનિયા તમારી, તમે માલિક આ દુનિયાના ! હું આ દેહનો માલિક છવ્વીસ વર્ષથી (૧૯૫૮માં જ્ઞાન થયા પછી) થયો નથી, તેથી અમારી સ્વચ્છતા પૂરેપૂરી હોય. માટે સ્વચ્છ થાવ, સ્વચ્છ ! પ્રશ્નકર્તા : સ્વચ્છતાનો ખુલાસો કરો. દાદાશ્રી : સ્વચ્છતા એટલે આ દુનિયાની કોઈ ચીજની જરૂર ના હોય, જેને ભિખારીપણું ના હોય ! લોકોનું કલ્યાણ તો ક્યારે થાય ? આપણે ચોખ્ખા થઈએ તો, બિલકુલ ચોખ્ખા ! પ્યૉરિટિ એ જ બધાનું, આખા જગતનું આકર્ષણ કરે ! પ્યૉરિટિ !! પ્યૉર વસ્તુ જગતનું આકર્ષણ કરે. ઇમ્પ્યૉર વસ્તુ જગતને ફ્રેક્ચર કરે. એટલે પ્યૉરિટિ લાવવાની ! - જય સચ્ચિદાનંદ |