|
એકાવતારી ધ્યેયને બાધક... સંપાદકીય આપણે ગયા વર્ષે ઑગષ્ટ મહિનાના ''પુરાવા જગત નિર્દોષના, જ્ઞાનીની દ્રષ્ટિએ'' અંકમાં એક નવી દ્રષ્ટિ, નવા અભિગમથી જીવન પ્રસંગોમાં જ્ઞાનના પુરાવાઓની રજૂઆત કરી જ્ઞાનદ્રષ્ટિ ફીટ કરવાનો એક નવતર પ્રયોગ કર્યો. એની પાછળનો અંતર આશય એ જ હતો કે દાદાશ્રીના શ્રીમુખેથી નીકળેલી સાક્ષાત્ સરસ્વતીના દરેક જ્ઞાનવાક્યો અણમોેલ રત્નો સમાન છે, તેનો મહાત્માઓ ઝીણવટપૂર્વક અભ્યાસ કરે. ઘણાં મહાત્માઓ તરફથી વધુ આ પ્રકારની સમજ પ્રાપ્ત થાય તેવી જ્ઞાનવાણી દાદાવાણી રૂપે પ્રગટ કરવાની માંગણીને ધ્યાનમાં રાખી ફરીથી એ જ અભિગમથી અન્ડરલાઈન અને નંબર દ્વારા એકાવતારી ધ્યેયને બાધક રૂપ કેવા કેવા દોષો થઈ જતા હોય છે અને તેની સામે કેવી રીતે જાગૃતિપૂર્વકનો પુરુષાર્થ કરી દોષ મુક્ત થઈ શકાય તેવી ઘણી બધી ચાવીઓ પુરાવા રૂપે દાદાશ્રીની જ્ઞાનવાણીમાં આ અંકમાં ઉપલબ્ધ થાય છે. જગત નિર્દોષ છે એ જાણવા છતાં એ આપણા સંપૂર્ણ અનુભવમાં કેમ આવતું નથી ? નિરંતર પરમાનંદમાં રાખે તેવું અદ્ભૂત જ્ઞાન પ્રાપ્ત થયા છતાં ક્યાં ભૂલ રહી જાય છે, જેથી જીવનમાં પૂર્ણ આનંદ કે મુક્તતા અનુભવાતી નથી ? પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) આની સમજ આપતા કહે છે કે હજુ જ્યાં સુધી બીજાના દોષો જોવાઈ જાય છે, એમાં પોતાના જ સૂક્ષ્મ દોષોનું રક્ષણ થઈ જતું હોય છે. ડિસ્ચાર્જ કર્તાપણાની અસરમાં પોતાની ભૂલ પકડી શકાતી નથી અને બીજાને દોષિત જોવામાં પોતાના દોષો સામેની જાગૃતિ આવરાઈ જાય છે. જેથી જાગૃતિ વધીને અનુભવના લેવલ સુધી પહોંચી શકતી નથી. મહાત્માઓથી મોક્ષમાર્ગે આગળ વધતાં અટકાવતાં હોય એવાં કેવા દોષો થઈ જતા હોય છે એનું એમણે આગવી સૂઝ અને તત્ત્વદ્રષ્ટિથી અદ્ભૂત રીતે વિશ્શલેષણ કરેલું છે. દોષિત દ્રષ્ટિ, ખેંચ, આડાઈ, શંકા, મમતા, માન-અપમાન, પોતાપણું સ્વચ્છંદ, પકડ, નોંધ, ગર્વરસ, પોઈન્ટમેન, પૂજાવાની કામના, અહંકારનું ગુરુતમપણું વિગેરે પોતાના એકાવતારી થવાના ધ્યેયમાં બાધક સૂક્ષ્મ દોષોની સુંદર સમજણ દાદાશ્રીએ આપ્તવાણી-૯માં તથા અન્ય ગ્રંથોમાં આપેલી છે, જે અત્રે સંક્ષિપ્ત રૂપે સંકલિત થઈ છે. તેનો સમજપૂર્વકનો અભ્યાસ કરી આપણે પ્રગતિના સોપાન સર કરી શકીશું એ વાત નિઃસંદેહ છે. અક્રમ વિજ્ઞાન એકાવતારી પદને પમાડે તેવું છે પરંતુ જો પોતાનાં મોક્ષમાર્ગે બાધક એવાં સૂક્ષ્મ દોષો ઓગળે તો. તે માટે જ્ઞાનીની દ્રષ્ટિએ સૂક્ષ્મ જ્ઞાનની સમજણ હોવી જરૂરી છે. અહીં સંકલિત થયેલી આવી જ અદ્ભૂત જ્ઞાનવાણી, સૂક્ષ્મ દોષોના કારણ, પરિણામ અને ઉપાય સુધીની સૂક્ષ્મ સમજ સર્વે મહાત્માઓને પોતાના ધ્યેય સાર્થક કરવામાં જરૂર ઉપયોગી બની રહેશે એ જ અભ્યર્થના. - દીપક દેસાઈ (પા.૨) એકાવતારી ધ્યેયને બાધક... મોક્ષે જનારાંઓને... પ્રશ્નકર્તા : મોક્ષમાં જવાનું સહેલું પડે એવી વાત હોય એ કહો. દાદાશ્રી : કોઈ વાત તને અઘરી નથી પડતી ? પ્રશ્નકર્તા : એ આપ બતાવો એટલે ખબર પડે ને ! દાદાશ્રી : ના, પણ તને અઘરી પડતી હશે ને ? ગૂંચાતો હોય તો અઘરી કહેવાય. બીજી વાર ક્યાં ગૂંચાતો નથી તું ? પ્રશ્નકર્તા : એવું ગૂંચાતું નથી. એવું ક્યાંય ગૂંચાતું નથી. દાદાશ્રી : થોડું ઘણું ગૂંચાયને ? હમણે (૧) પોલીસવાળા આવ્યા હોય અને હાથકડી લઈને પહેરાવતાં હોય ત્યારે... એકદમ ગૂંચાઈ જાય. મોક્ષે જતાં આ તો સહેલું કરવું પડશેને ? એમાં ચાલતું હશે ? એ તો (૨) પોલીસવાળાને તો આપણે કહેવું જોઈએ કે 'ભઈ, તમે બહુ મોડું કર્યું. શા હારું આવું મોડું કર્યું ?' પોલીસવાળા હાથકડી લઈને આવ્યા હોય, ખોળતા હોય કે 'ચંદુભાઈ ક્યાં છે ?' એટલે પછી ચંદુભાઈના મનમાં શું થાય ? પ્રશ્નકર્તા : ગૂંચાય. દાદાશ્રી : ગૂંચાવવાનું તો મેં રાખ્યું નથી. કોઈ પણ પરિસ્થિતિમાં ગૂંચાય નહીં એવું આ જ્ઞાન આપ્યું છે. હાથકડી લઈને આવે તો શું થાય, એ આપણે તપાસ કરવી. (૩) અને લઈ જવાનો તો છે જ. (૪) આ તો તેડું લઈને આવ્યો છે, તે કંઈ એમ ને એમ જવાનો છે કંઈ પાછો ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી :(૫) આપણે એને શેકહેન્ડ કરીને (હાથ મીલાવીને) જઈએ, એ શું ખોટું ? આવ્યો છે તે તેડી ગયા વગર રહેવાનો નથી. હવે (૬) આપણું જ્ઞાનેય આપણને કહે કે 'વ્યવસ્થિત છે, (૭) સમભાવે નિકાલ કરો, ફાઈલ આવી છે.' તે બધી રીતે આપણને જ્ઞાન મળી ગયું. એટલે આપણે એને કહીએ, 'લાવો તમને શેકહેન્ડ કરીએ, નહીં તો ચા પીને જાવ.' શું વાંધો ? પ્રશ્નકર્તા : બરોબર છે. દાદાશ્રી : આ મને નથી લાગતું એટલું ટેસ્ટ થયેલું હોય ! ટેસ્ટેડ જોઈએ ને ! આમ કંઈ ચાલતું હશે ? (૮) અમે તો પેલા ફોજદારને કહ્યું'તું કે 'સારું થયું. દોરડું લઈને આવવું'તું ને, વાંધો નહિ. ઊલટાં લોકો કહેશે, અંબાલાલભાઈ આવા છે. તે લોકોને આનંદ થાય બિચારાંને !' એટલે ફોજદાર તો ગભરાઈ જ ગયો. એટલે બધી પરિસ્થિતિ માટે તૈયાર થાવ. (૯) ગમે તે પરિસ્થિતિ આવે. કારણ કે વ્યવસ્થિત છે ને ! વ્યવસ્થિતની બહાર નથીને કશું ? (૧૦) હવે સમભાવે નિકાલ તો કરવો પડે ને ! તો શું જવાબ આપીએ એ લઈને આવ્યો હોય તો ? (૧૧) એ જાતે લઈને આવ્યો છે ? એનેય બાય ઓર્ડર ! (૧૨) કો'કના ઓર્ડરથી આવ્યો હતો ને ! પ્રશ્નકર્તા : એના હાથમાંય કંઈ નથી. દાદાશ્રી : અને (૧૩) પેલા ઓર્ડર કરનાર સાહેબનાં હાથમાંય કંઈ નથી, બધું કર્માધીન. આપણેય કર્માધીન. પ્રશ્નકર્તા : આમાં તો અંદરનું પરમાણુ ક્યાંય હલવું ન જોઈએ. દાદાશ્રી : એક પરમાણુ હલવું ના જોઈએ. એ જ વાત હોવી જોઈએ. (પા.૩) જગતનું સરવૈયું શું ? પ્રશ્નકર્તા : હવે કોઈ માણસ એવો નાલાયક દેખાતો નથી ને પહેલાં મને નાલાયક સિવાય કોઈ દેખાતું નહોતું. દાદાશ્રી : છે જ નહીં. એ તપાસ કર્યા પછી તો મેં કહ્યું કે આખું જગત મને નિર્દોષ દેખાય છે. પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા ના જોઈએ ત્યારે જ દોષિત દેખાયને ? દાદાશ્રી : દોષિત ક્યારે દેખાય કે (૧) શુદ્ધાત્મા ના જોઈએ એટલે દોષિત દેખાય ને બીજું એણે એનું સરવૈયું નથી કાઢ્યું. એક્ઝેક્ટલી (વાસ્તવિકમાં) (૨) જો સરવૈયું કાઢીએ તો એ પોતે જ કહે, દોષ જોનારો જ કહે, ભઈ, મારી જ ભૂલ છે આ તો. એટલે આમ (૩) એકલું શુદ્ધાત્મા જોવાથીય કંઈ મટે નહીં. એ તો આગળ ને આગળ જ ચાલ્યા કરે. એટલે (૪) પદ્ધતિસર નિકાલ થવો જોઈએ. એટલે સરવૈયામાંથી નિકાલ થવો જોઈએ કે એનો કઈ રીતે દોષ નથી. હા, એનો દોષ છે નહીં અને આ કેમ દેખાય છે ? આ જગતના સરવૈયા રૂપે તમે પૂછો કે આ જગતનું સરવૈયું શું છે ? ત્યારે કહે, (૫) ' જગતમાં કોઈ પણ માણસ દોષિત છે જ નહીં. મનુષ્યોય દોષિત નથી, વાઘેય દોષિત નથી.' એટલે આ જવાબ ઉપરથી આખી રકમ ખોળી કાઢવાની છે. આ જવાબ શો કે આ જગત આખું નિર્દોષ સ્વરૂપે છે. જીવમાત્ર નિર્દોષ છે. (૬) દોષિત દેખાય છે તે પોતાની પેલી અજ્ઞાનતાથી. બોલો, હવે તમે કેટલી ભૂલમાં હશો ? પ્રશ્નકર્તા : ઘણી ભૂલમાં. દાદાશ્રી : જ્યારે જગત નિર્દોષ દેખાશે, (૭) તમારું ગજવું કાપતો હોય એ જ માણસ તમને નિર્દોષ દેખાય ત્યારે જાણવું કે કરેક્ટનેસ (યથાર્થતા) પર આવ્યું. અંતિમ દ્રષ્ટિએ જગ નિર્દોષ ભગવાન (૧) મહાવીરે કહ્યું કે 'આખું જગત નિર્દોષ છે, જે કંઈ ભૂલ હતી તે મારી જ હતી અને તે પકડાઈ ગઈ.' અને તે મનેય મારી ભૂલ પકડાઈ ગઈ. અને હવે તમને શું કહું છું ? તમારી (૨) ભૂલ પકડો. હું બીજું કશું કહેતો જ નથી. જે પતંગનો દોરો મારી પાસે છે તેવો પતંગનો દોરો તમારી પાસે છે. (૩) શુદ્ધાત્માનું જ્ઞાન પોતે પ્રાપ્ત કર્યું એટલે પતંગનો દોરો હાથમાં રહ્યો. પતંગનો દોરો હાથમાં ના હોય અને ગુલાંટ ખાય ને બૂમાબૂમ કરીએ, કૂદાકૂદ કરીએ, એમાં કશું વળે નહીં. પણ હાથમાં દોરો હોય તો ખેંચીએ તો ગુલાંટ ખાતો બંધ થઈ જાય કે ના થઈ જાય ? તે દોરો મેં તમારા હાથમાં આપેલો છે. એટલે તમારે આ નિર્દોષ જોવાનું છે. (૪) નિર્દોષ દ્રષ્ટિથી આમ શુદ્ધાત્મા જોઈને એને નિર્દોષ બનાવવો (માનવો). એ થોડીવાર પછી પાછું મહીંથી બૂમાબૂમ કરશે. 'આ આવું આવું કરે છે, એને શું નિર્દોષ જુઓ છો ?' એટલે (૫) એક્ઝેક્ટલી નિર્દોષ જોવાનો અને જેમ છે તેમ એક્ઝેક્ટલી નિર્દોષ જ છે. કારણ કે (૬) આ જગત જે છે ને, તે તમને દેખાય છે એ બધું તમારું પરિણામ દેખાય છે, (૭) કૉઝીઝ નથી દેખાતા. હવે પરિણામમાં કોનો દોષ ? પ્રશ્નકર્તા : કૉઝીઝનો દોષ. દાદાશ્રી :(૮) કૉઝીઝના કરનારાનો દોષ. એટલે પરિણામમાં દોષ કોઈનો ના હોય. તે (૯) જગત પરિણામ સ્વરૂપ છે. (૧૦) આ તો એક મેં તમને નાનામાં નાનું સરવૈયું કાઢતા શીખવ્યું. બીજા બહુ સરવૈયા છે બધા. કેટલાંય સરવૈયા ભેગાં થયાં ત્યારે મેં એક્સેપ્ટ કર્યું, જગત નિર્દોષ છે એવું. નહીં તો એમ ને એમ એક્સેપ્ટ થાય કંઈ ? આ કંઈ ગપ્પું છે ? (૧૧) તમે તમારી પ્રતીતિમાં લઈ જજો કે આ જગત નિર્દોષ છે, એમ સો ટકા છે, નિર્દોષ જ છે. (પા.૪) (૧૨) દોષિત દેખાય છે એ જ ભ્રાંતિ છે અને તેથી આ જગત ઊભું થયું છે બસ, ઊભું થવાના કારણમાં બીજું કોઈ કારણ નથી. (૧૩) જ્ઞાનદ્રષ્ટિથી જોવા જતાં જગત નિર્દોષ છે અને અજ્ઞાનતાથી જગત દોષિત દેખાય છે. જગત જ્યાં સુધી (૧૪) દોષિત દેખાય છે ત્યાં સુધી ભટક ભટક કરવાનું. અને જ્યારે જગત (૧૫) નિર્દોષ દેખાશે ત્યારે આપણો છૂટકારો થશે. સંસાર, 'વ્યવસ્થિત'ને આધીન હવે તમે શુદ્ધાત્મા થયા. હવે (૧) આ સંસાર શું છે ? ત્યારે કહે, એ વ્યવસ્થિતના આધીન છે. એને તું જો, બધું જ જેટલું છે એટલું (૨) તું જો. એટલે એ બધું ધીમે ધીમે સહજ ભાવે ચાલ્યા કરશે અને તું જ્ઞાતા-દ્રષ્ટામાં રહી શકીશ, સ્વ-ઉપયોગમાં ! આટલું જ કહેવા માંગે છે એ. ત્યારે કહે, એમાં છે તે (૩) કોઈએ મારી મશ્કરી કરી, તો કહે, 'સમભાવે નિકાલ કરી નાખજે.' તે સમભાવે નિકાલ કરીને કામ લેજે, કોઈ ગમ્મે તેવું કરે તોય. (૪) તારું બધુંય ચોરી ગયો, તું બહાર ગયો ને તાળું તોડીને ચોરી ગયો ને આવીને જોયું, તો કશુંય નહીં, વ્યવસ્થિત ! અને હવે સમભાવે નિકાલ કરી નાખ. (૫) આ બન્યું તે જ કરેક્ટ છે. જતું રહે તોય ચિંતા નથી, એવું રાખવું જોઈએ. (૬) આ કંઈ સારું જતું નથી ને ખોટું ઊભું રહેતું નથી. એ તો એનો હિસાબ ચૂકતે કર્યા સિવાય જતા નથી. પ્રશ્નકર્તા : તો અમારે તો ફક્ત 'વ્યવસ્થિતના જ્ઞાનમાં રહેવાની અમને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો', એમ જ અમારે 'દાદા' પાસે માંગવાનું ને ? દાદાશ્રી : એ શક્તિ આપો, (૭) એ શક્તિ માંગવાની ખરી, પણ પાછું અભ્યાસમાં લેતા જવું. અભ્યાસમાં આ આખો દહાડો ના થાય, પણ બે કલાક થઈ જાય. (૮) આપણે નક્કી કરીએ કે બે કલાક મારે કશું કોઈ રીતે ડખો કરવો નથી, વ્યવસ્થિતના જ્ઞાનમાં રહેવું છે. એમાં પછી (૯) પ્રકૃતિ વ્યવસ્થિતને તાબે છે, એવું જુદી જુએ તો પછી આત્માની શક્તિ વધતી જાય અભ્યાસથી. જીવન, ખેંચ વગરનું પ્રશ્નકર્તા : હવે આ 'જ્ઞાન' મળ્યા પછી સાધારણ રીતે જીવન કેવું હોવું જોઈએ ? દાદાશ્રી :(૧) ખેંચ વગરનું જીવન જીવવું જોઈએ. પ્રશ્નકર્તા : ખેંચાતું કેવી રીતે હશે ? દાદાશ્રી : આ ખેંચ એ જુદી વસ્તુ છે. ખેંચ એટલે, હું કહું કે, 'ભઈ, ના, આમ છે.' એટલે પછી (૨) એનું પોતાનું સત્ય કરાવવા માટે વારે ઘડીએ ખરું કર કર કરવું, એ ખેંચ કહેવાય. અને ખેંચવાળા પાસે, (૩) ખેંચ જ્યાં હોય ત્યાં સત્ય કોઈ પ્રકારનું હોતું નથી. (૪) ખેંચ એ જ મોટામાં મોટું દૂષણ છે. તમે મારી જોડે વાત કરતા હો તો હું એનો તમને જવાબ આપું. અને તે (૫) તમારી વાત ખરી કરાવવા માટે તમે ફરી વાત કરો, એ ખેંચ કહેવાય. એવી વારે ઘડીએ ખેંચ રાખે. એટલે આ ખેંચ નથી એટલે શું કે (૬) તમે કહો કે 'નથી ગમતું' ત્યારે એ કહેશે, 'બંધ રાખીએ, લો !' બીજી ભાંજગડ નહીંને ! (૭) જો 'જ્ઞાન' લીધું હોય તો ખેંચ જ ના હોયને ! અને (૮) ખેંચ હોય તો કાઢી નાખવી. કારણ કે એ ભૂલ છે. અને કાઢી નાખીએ તોય ના નીકળે તો વાંધો નહીં. (૯) ખેંચ હોય તો ખેંચને પણ 'તમારે' જોવી, તો 'તમે' છૂટ્યા ! ખેંચને પણ તમે જુઓ તો છૂટ્યા. તમે આપણા કાયદામાં છો ! પરમ વિનયથી મોક્ષ પ્રશ્નકર્તા : આપે કહ્યુંને, કે 'મોક્ષ છે ત્યાં કાયદો નથી ને કાયદો છે ત્યાં મોક્ષ નથી, પરમ (પા.૫) વિનયથી મોક્ષ છે.' તો પરમ વિનયમાં બધું આવી ગયું પાછું ? દાદાશ્રી : હા, પરમ વિનયમાં બધું આવી ગયું. કાયદો કરવા જશે એટલે પછી, આ તુલસી રોપી એટલે ઊંદરડો તુલસી કાપી ગયો, માટે બિલાડીને રાખે. બિલાડીએ દૂધ બગાડ્યું માટે કૂતરાને રાખો. આનો પાર આવે ખરો ? એટલે આ 'નો લૉ લૉ'નો કાયદો છે. અને (૧) આ તો 'વિજ્ઞાન' મૂકેલું છે. આમાં આઘુંપાછું કરવા જાય, ડખો કરવા જાય, એ જ એનું ગાંડપણ છે. એ તો 'ઓવરવાઈઝ'પણું છે. (૨) અમે તો બધું કહી દઈએ, જેમ છે તેમ. પછી જક્કે ચઢે ત્યારે અમે જાણીએ કે બહુ ભયંકર અજ્ઞાનતા છે, એ પોતાનું અહિત જ કરી રહ્યો છે. એટલે બોલીએ નહીં પછી. અમે મૌન રહીએ. જક્કે ચઢે એટલે એને મારી વાત દેખાતી જ નથી ને ? દેખાય તો જક્કે ચઢે ? એટલે અહીં આગળ તો કેવું છે ? બહુ ડાહ્યા રહેવાનું. (૩) 'પરમ વિનય' શબ્દ કહ્યો એનો અર્થ એટલો સમજી જવાનો કે વગર કામનું કશું બોલવા-ચાલવાનું નહીં. કામનું હોય તો બોલવું. પોતાનું ડહાપણ કે પોતાની અક્કલ અહીં ઊઘાડી કરવાની નહીં. (૪) તમારી અક્કલો બધી નકલ કરેલી છે, દરઅસલ નથી. એટલે લોકોનું જોઈને શીખ્યા, ચોપડીઓનું શીખ્યા ! અને પાછાં ચડસે ચઢે તે અટકતાંય નથી. અલ્યા, ચડસે ચઢે ત્યારે તમને ખબર નથી કે આ ચડસે ચઢી રહ્યું છે ? (૫) ચડસે ચઢવું એટલે પોતાનું સ્થાન છોડીને નીચે પડવું ! પ્રશ્નકર્તા : પહેલાં તો આપ તરત ટકોર કરો કે એ પડ્યો, પડ્યો, પડ્યો ! દાદાશ્રી : તે તો અત્યારેય કહું છું ને. પણ તેય કોને કહેવાય પાછું ? તે અમુક જ માણસને 'પડ્યો, પડ્યો' કહેવાય. (૬) બીજાને તો આપણે ચલાવી લેવું પડે. હજુ એનામાં શક્તિ જ આવી નથી, કશું કહે તો બિચારો જતો રહે પાછો. જેણે (૭) મારું 'હિત-અહિત' છે એવું જાણી લીધું હોય, એને એવું કહીએ. એટલે એ મજબૂત થયા પછી એને કહીએ. બધાને એવું ના કહેવાય. નહીં તો તરત જતાં રહે એ તો ! પણ આ (૮) અહીંથી ભટક્યો તો આ સ્ટેશન ફરી નહીં મળે, લાખો અવતાર જતાંય.' (૯) એટલે બાળકની પેઠ સમજાવીને બેસાડવા પડે, પાછાં ગોળીઓ આપી આપીને. મેં બધાને કહ્યું છેને, કે કોણે આ સમજીને જ્ઞાન લીધું છે ? આ બધા પટાવી પટાવીને 'આવ, આવ, આ તો આમ છે, તેમ છે !' (૧૦) બધાંને પટાવી પટાવીને જ્ઞાન આપ્યું છે. આડાઈનું સ્વરૂપ પ્રશ્નકર્તા : જે આડાઈ કહે છે તેનું સ્વરૂપ શું સમજવું ? દાદાશ્રી :(૧) દિલ ઠરે એવી વાત હોય તોય સ્વીકાર ના કરે, પોતાનાં મતે જ ચાલે. અમે કોઈને કશુંય કહીએ નહીં, દબાણ ના કરીએ. છતાં (૨) કોઈને કશું કહીએ અને જો કદી એ ના માને તો એને આડાઈ જ કહેવાય ને ? પ્રશ્નકર્તા : આડાઈનું 'રૂટ કોઝ' શું ? દાદાશ્રી : અહંકાર. પ્રશ્નકર્તા : પણ એ 'કોઝિઝ' કરેલાં એટલે એની 'ઈફેક્ટ'ને ? દાદાશ્રી :(૩) આ 'ઇફેક્ટ' છે. પણ 'કોઝિઝ' કર્યા ત્યારે ને ! 'કોઝિઝ' કેવી રીતે પડે છે ? કે (૪) પહેલું આડાઈનું જ્ઞાન થાય કે આડા થઈ જઈશું ને, એટલે બધાં ઠેકાણે આવી જશે. એવું એને જ્ઞાન થાય. 'ઘરનાં બધાં માણસોને ઠેકાણે લાવવા આડા થઈશું, આડાઈ કામ લાગે ખરેખરી.' (૫) એ જ્ઞાન થાય એને. એ પછી એની શ્રદ્ધા બેસે. આ શ્રદ્ધા એ જ્ઞાનને (પા.૬) 'સ્ટ્રોંગ' કરે. શ્રદ્ધા વગરનું જ્ઞાન હોય ને, તો તો ઊડી જાય. પણ શ્રદ્ધા બેઠી એટલે શ્રદ્ધા એને મજબૂત કરે. (૬) અને પછી એ આડાઈ ચારિત્રમાં આવે અને જો મઝા (!) પછી આવે ! અજ્ઞાન એ મૂળ ગુનેગાર આ (૧) ''જે આડો છે તે 'હું' ન્હોય'' એવું જ્ઞાન થવું, એનું નામ 'અક્રમ વિજ્ઞાન'. ને ''આડો તે 'હું' છું અને સીધું મારે થવાનું છે'', તેનું નામ ક્રમ ! એટલે (૨) આ તો આડાઈ જેને હતી, તે 'હું' ન્હોય. એમ આખી જગ્યા જ 'પોતે' ખાલી કરી નાખી ને ! પછી રહ્યું જ શું તે ? (૩) ગુનેગારીમાં હતો, એ ગુનેગારીપણું છૂટી ગયું. અને મૂળ ગુનેગાર હતો તેને ત્યાં જ રહેવા દીધો. મૂળ ગુનેગાર તો 'એ' જ હતો. આ તો 'આપણે' વગર કામના મહીં 'પાર્ટનરશીપ' કરી નાખી હતી. પછી હવે સીધા થઈ ગયા ને ? (૪) 'તમે' પોતે સીધા થયા એટલે આ, 'ચંદુભાઈ'ની આડાઈ કાઢી નાખશો. (૫) જ્યાં સુધી 'પાર્ટનરશીપ' હતી ત્યાં સુધી આ 'ચંદુભાઈ'ની આડાઈ ના નીકળે. (૬) હવે 'પાર્ટનરશીપ' છૂટી ગઈ, એટલે 'તમે' ચંદુભાઈને ધમકાવીને પણ આડાઈ કાઢી નાખશો. એટલે આ 'અક્રમ વિજ્ઞાન'નો પ્રતાપ કે (૭) જે વાંકો છે તે 'હું' ન્હોય અને 'હું' તો આ શુદ્ધાત્મા ! નિજ શુદ્ધત્વમાં નિઃશંકતા (૧) દરઅસલ આત્મા તો 'આકાશ' જેવો છે અને આ શુદ્ધાત્મા એ તો એક સંજ્ઞા છે. શી સંજ્ઞા છે ? પ્રશ્નકર્તા : ઓળખવા માટે. દાદાશ્રી : ના. (૨) આ દેહથી ગમે એટલા સારાં થાય કે ખોટાં કાર્ય થાય, તું તો શુદ્ધ જ છે. ત્યારે કોઈ કહે કે, 'હે ભગવાન, હું શુદ્ધ જ છું પણ આ દેહે અવળા કામ થાય તે ?' તોય ભગવાન કહે, (૩) 'એ કાર્ય તારાં ન્હોય. તું તો શુદ્ધ જ છે. પણ જો તું માને કે આ કાર્ય મારાં, તો તને ચોંટશે.' એટલા માટે શુદ્ધાત્મા શબ્દ, એ સંજ્ઞા લખેલી છે. અને 'એને' 'શુદ્ધાત્મા' શાથી કહ્યું કે (૪) આખો સંસાર કાળ પૂરો થવા છતાં 'એને' અશુદ્ધતા અડતી નથી, એટલે શુદ્ધ જ છે. એટલે આ 'જ્ઞાન' પછી હવે 'તને' 'હું શુદ્ધાત્મા છું' એ લક્ષ બેઠું છે. માટે હવે તારાથી (૫) ગમે તે કાર્ય થાય, સારું અગર નરસું, એ બન્નેનો માલિક 'તું' નથી. 'તું' શુદ્ધ જ છે. (૬) તને પુણ્યનો ડાઘ પડવાનો નથી અને પાપનોયે ડાઘો પડવાનો નથી. માટે 'તું' શુદ્ધ જ છે. તને (૭) શુભનોયે ડાઘો પડવાનો નથી અને અશુભનોય ડાઘો પડવાનો નથી. અમે 'જ્ઞાન' આપતાંની સાથે જ કહીએ છીએ ને, કે હવે તને આ બધું નહીં અડે. એ નિઃશંક થાય ત્યાર પછી એનું ગાડું ચાલે. (૮) તને જો શંકા પડશે તો તને ચોંટશે અને તું નિઃશંક છે તો તને નહીં અડે ! (૯) 'દાદા'ની આજ્ઞામાં રહ્યો કે તને નહીં અડે ! મૂળ (૧૦) હકીકતમાં, શંકા પાડવા જેવી છે જ નહીં. ખરેખર કશું કરતો જ નથી. આવી 'તું' કોઈ ક્રિયા કરતો જ નથી. આ તો (૧૧) ખાલી ભ્રાંતિ જ છે, આંટી પડી ગયેલી છે. (૧૨) એટલે શુદ્ધાત્મા તે સંજ્ઞા, પોતે શુદ્ધ જ છે, ત્રણેય કાળ શુદ્ધ જ છે, એ સમજાવવા માટે છે. માટે એ (૧૩) સંજ્ઞામાં રહેવાય એટલે પછી મજબૂત થઈ જાય. ત્યાર પછી 'કેવળજ્ઞાન સ્વરૂપ' આપણું ! બાકી, (૧૪) 'દરઅસલ આત્મા' તો 'કેવળજ્ઞાન સ્વરૂપી' જ છે. એટલે અમારામાં ને તમારામાં ફેર શો ? (૧૫) 'અમે' 'કેવળજ્ઞાન સ્વરૂપે' રહીએ છીએ અને 'તમે' (મહાત્માઓ) શુદ્ધાત્મા તરીકે રહો છો. તમને મૂળ આત્માની જે શંકા હતી તે જતી રહી, એટલે બીજી શંકાઓ જતી રહે. પણ છતાંય મહીં બુદ્ધિશાળી માણસોનેય પાછી શંકા, મૂળ સ્વભાવ એ હોય ને, તો ફરી શંકા ઊભી થઈ જાય. (પા.૭) શંકા માટે ઉપાય (૧)શંકા વગર તો માણસ હોય જ નહીં ને ! અરે, મને તો પહેલાં બા જીવતા હતાં ને, ત્યારે વડોદરા સ્ટેશને ગાડીમાંથી ઊતરતાં જ એમ વિચાર આવે કે 'બા આજે ઓચિંતા મરી ગયાં હશે, તો પોળમાં શી રીતે પેસવું ?' એવી શંકાઓ ઉત્પન્ન થાય. અરે, જાતજાતની શંકાઓ માણસમાં આવે. પણ (૨) આ બધું શોધખોળ કરીને પછી મેં મેળવી લીધેલું કે આ કર મીંડું ને મેલ ચોકડી ! ૩ શંકા ઉત્પન્ન કરવા જેવું જગત જ નથી. પ્રશ્નકર્તા : એ તો મને પણ દેશમાંથી ટેલિફોન આવે તો મને હજુય શંકા થાય કે 'બાને કંઈક થયું હશે તો ?' દાદાશ્રી : પણ એ (૪) શંકા કશી 'હેલ્પ' નથી કરતી, દુઃખ આપે છે. (૫) આ ઘરડું માણસ ક્યારે પડી જાય, એનું શું કહેવાય ! કારણ કે (૬) ઓછા આપણે એમને બચાવી શકવાના છીએ ? અને એવી (૭) શંકા પડવાની થાય છે ત્યારે આપણે એમના આત્માને સંભારીને, એમના ઉપર વિધિ મૂક્યા કરવી, કે 'હે નામધારી બા, એમનાં દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મથી ભિન્ન એવા પ્રગટ શુદ્ધાત્મા, એમના આત્માને શાંતિ આપો.' એટલે શંકા થતાં પહેલાં આપણે આ વિધિ મૂકી દેવી. (૮) શંકા થાય ત્યારે આપણે આમ ફેરવવું. 'વ્યવસ્થિત'થી નિઃશંકતા (૧) જગત વધારે દુઃખી તો શંકાથી જ છે. (૨) શંકા તો માણસને અધોગતિમાં લઈ જાય છે. (૩) શંકામાં કશું વળે નહીં. કારણ કે (૪)'વ્યવસ્થિત'ના નિયમને કોઈ તોડનારું નથી. 'વ્યવસ્થિત'ના નિયમને કોઈ તોડી શકે એમ નથી, માટે (૫) શંકા કરીને શું કરવા અમથો માથાકૂટ કરે છે ? (૬) 'વ્યવસ્થિત'નો અર્થ શો કે 'છે' એ છે, 'નથી' એ નથી. 'છે' એ છે, એ 'નથી' થવાનું નથી અને 'નથી' એ નથી, એ 'છે' થવાનું નથી. માટે 'છે' એ છે, એમાં તું આઘુંપાછું કરવા જઈશ તો 'છે' જ અને 'નથી' તે આઘુંપાછું કરવા જઈશ તોય 'નથી' જ. (૭) માટે નિઃશંક થઈ જાવ. આ 'જ્ઞાન' પછી તમે હવે આત્મામાં નિઃશંક થઈ ગયા કે આ (૮) આપણને જે લક્ષ બેઠું, તે જ આત્મા છે ને બીજું બધું નિકાલી બાબત ! (૯) એક ભવમાં તો 'વ્યવસ્થિત'ની બહાર કશું થવાનું નથી, તમે જાગ્રત હશો તોય નથી થવાનું અને અજાગ્રત હશો તોય નથી થવાનું. (૧૦) જ્ઞાની હશો તો યે ફેરફાર નથી થવાનો અને અજ્ઞાની હશો તો યે ફેરફાર નથી થવાનો. (૧૧) એટલે શંકા રાખવાનું કોઈ કારણ નથી. પ્રશ્નકર્તા : કારણ કે કંઈ ફેરફાર પડવાનો જ નથી. દાદાશ્રી : હા, ફરક પડવાનો નથી અને (૧૨) એ શંકામાં તો બહુ નુકસાન છે. પ્રશ્નકર્તા : પણ આ 'જ્ઞાન' પછી તો 'ચાર્જિંગ' થવાનું જ નથી ને ? દાદાશ્રી : 'ચાર્જિંગ' ના થાય. પણ (૧૩) આવું શંકા રાખે તો 'ચાર્જિંગ' થાય. (૧૪) જો મોક્ષ જોઈતો હોય તો શંકા કરાય નહીં. (૧૫) નહીં તોય પેલું અજ્ઞાનતામાં તો એવું જ થશે. અને (૧૬) આ તો 'જ્ઞાન'નો લાભ મળે છે, મુક્તિનો લાભ મળે છે અને (૧૭) 'છે' તે જ થાય છે. માટે શંકા રાખવાનું કોઈ કારણ નથી. મોક્ષમાર્ગીય સંયમ હવે મોક્ષ ક્યારે બગડશે ? મહીં અસંયમ થશે ત્યારે ! અસંયમ થાય એવું આપણું 'જ્ઞાન' જ નથી. નિરંતર સંયમવાળું 'જ્ઞાન' છે. ફક્ત શંકા કરી કે ઉપાધિ આવી ! એટલે આપણે શું કહ્યું કે (૧) ફાઈલોનો સમભાવે નિકાલ કરો. (૨) આ બધી ફાઈલો છે. (૩) આ કંઈ તમારી (પા.૮) છોડીઓ નથી કે આ તમારી વહુ નથી. આ વહુ-છોડીઓ એ બધી 'ફાઈલો' છે. 'ફાઈલો'નો સમભાવે નિકાલ કરો. (૪) જ્યારે પક્ષાઘાત થયો હોય ને, ત્યારે કોઈ તમારું સગું થાય નહીં. ઊલટું બહુ દહાડા થાય ને, તો લોક બધા ચિઢાયા કરે. પેલો પક્ષાઘાતવાળો યે મહીં મનમાં સમજી જાય કે બધાં ચિઢાયા કરે છે. પણ શું કરે તે ? આ 'દાદા'એ દેખાડેલો મોક્ષ સીધો છે, એક અવતારી છે. માટે સંયમમાં રહો ને 'ફાઈલો'નો સમભાવે નિકાલ કરો. છોકરી હોય કે બૈરી હોય, કે બીજું હોય કે ત્રીજું હોય, પણ બધાનો સમભાવે નિકાલ કરો. (૫) કોઈ કોઈની છોકરી હોતી નથી દુનિયામાં. (૬) આ બધું કર્મના ઉદયને આધીન છે. અને (૭) 'જ્ઞાન' ના મળ્યું હોય તેને આપણાથી આવું કશું કહેવાય નહીં. આવું બોલે તો તો એ વઢવા તૈયાર થઈ જાય. પ્રશ્નકર્તા : એટલે જેને સુધારવા ફરે છે તોય સુધરે નહીં ને એની પાછળ આખો ભવ પૂરો થાય, પણ એ વસ્તુ જ 'પોતે' હોતો નથી ને ? એવું જ થયું ને ? દાદાશ્રી : હા, તેથી પાર જ ના આવે ને ! તેથી તો અનંત અવતાર ભટકવાનું ને !! રહેવું હોમ ડીપાર્ટમેન્ટમાં સદા (૧) આત્મા થયા પછી બીજામાં પડવું જ નહીં. (૨) આ બધું 'ફોરેન ડીપાર્ટમેન્ટ' (અનાત્મ વિભાગ)નું છે. આપણે 'હોમ' (આત્મા)માં રહેવું. આત્મામાં રહો ને ! (૩) આવું 'જ્ઞાન' ફરી ફરી મળે એવું નથી, માટે કામ કાઢી લો. એક જણને એની 'વાઈફ' પર શંકા આવ્યા કરે. તેને મેં કહ્યું કે (૪) શંકા શેને લીધે થાય છે ? (૫) તેં જોયું તેને લીધે શંકા થાય છે ? (૬) શું નહોતું જોયું ત્યારે નહોતું બનતું આવું ? (૭) આપણા લોક તો પકડાય, તેને ચોર કહે. પણ પકડાયો નથી, તે બધા મહીંથી ચોર જ છે. પણ આ તો પકડાયો, તેને 'ચોર' કહે છે. અલ્યા, એને શું કરવા 'ચોર' કહે છે ? એ તો સુંવાળો હતો. ઓછી ચોરી કરી છે તેથી પકડાયો. વધારે ચોરી કરનારાં પકડાતાં હશે ? પ્રશ્નકર્તા : પણ પકડાય ત્યારે ચોર કહેવાય ને ? દાદાશ્રી : ના, ઓછી ચોરીઓ કરે તે પકડાય. અને પકડાય એટલે લોક એને 'ચોર' કહે. અલ્યા, (૯) ચોર તો આ નથી પકડાતા તે છે. પણ જગત તો આવું જ છે. (૧૦) મોક્ષે જવું હોય તો આમ છે. નહીં તો લઢવાડ કર્યા કરો તમારી મેળે. (૧૧) તમારી 'વાઈફ' આ દુષમકાળમાં તમારી થાય નહીં. અને એવી ખોટી આશા રાખવીય ફોગટ છે. આ દુષમકાળ છે, એટલે આ દુષમકાળમાં તો જેટલાં દહાડા આપણને રોટલા ખવડાવે છે એટલાં દહાડા આપણી અને નહીં તો બીજાને ખવડાવે તો એની. એટલે બધા 'મહાત્મા'ઓને કહી દીધેલું કે શંકા ના રાખશો. નહીં તોય મારું કહેવાનું, કે (૧૨) જોયું ના હોય ત્યાં સુધી તેને સત્ય માનો છો જ શા માટે, આ કળિયુગમાં ? (૧૩) આ છે જ પોલમ્પોલ, જે મેં જોયું છે તેનું તમને વર્ણન કરું તો બધાં માણસ જીવતાં જ ના રહે. તો (૧૪) હવે એવાં કાળમાં એકલા પડી રહેવું મસ્તીમાં અને આવું 'જ્ઞાન' જોડે હોય, એના જેવું તો એકુંય નહીં. માટે કામ કાઢી લેવા જેવું છે અત્યારે. તેથી અમે કહીએ છીએ ને, કે કામ કાઢી લો, કામ કાઢી લો, કામ કાઢી લો ! એ કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આવું કોઈ કાળે આવતું નથી અને આવ્યું છે તો માથું મેલીને કામ કાઢી લો !! એટલે તમને સમજાયું ને ? કે (૧૫) ના જોયું તો કશું થાત નહીં. આ તો દેખ્યાનું ઝેર છે ! પ્રશ્નકર્તા : હા, દેખાયું એટલે જ એવું થાય છે. (પા.૯) દાદાશ્રી : આ બધું (૧૬) જગત અંધારામાં પોલ જ ચાલી રહ્યું છે. અમને આ બધું 'જ્ઞાન'માં દેખાયું. અને (૧૭) તમને જોવામાં ના આવ્યું એટલે તમે જુઓ અને ભડકો ! અલ્યા, ભડકો છો શું ? બધું આમાં, (૧૮) આ તો આમ જ ચાલી રહ્યું છે, પણ તમને દેખાતું નથી. આમાં ભડકવા જેવું છે જ શું ? (૧૯) તમે આત્મા છો, તો ભડકવા જેવું ક્યાં રહ્યું ? આ તો (૨૦) બધું જે 'ચાર્જ' થઈ ગયેલું, તેનું જ 'ડિસ્ચાર્જ' છે ! જગત ચોખ્ખું 'ડિસ્ચાર્જ'મય છે. (૨૧) 'ડિસ્ચાર્જ'ની બહાર આ જગત નથી. એટલે અમે કહીએ છીએને, 'ડિસ્ચાર્જ'મય છે એટલે કોઈ ગુનેગાર નથી. પ્રશ્નકર્તા : એટલે એમાંય કર્મનો સિદ્ધાંત કામ કરે ને ? દાદાશ્રી : હા, કર્મનો સિદ્ધાંત જ કામ કરી રહ્યો છે. બીજું કશું નહીં. (૨૨) માણસનો દોષ નથી, આ કર્મ જ ભમાવે છે બિચારાંને. પણ એમાં શંકા રાખે ને, તો પેલો મરી જાય વગર કામનો. રાખવી મમતા પણ એટલે (૧) જે મમતા કરેલી વસ્તુ આપણી જોડે આવે એટલી જ મમતા કરવાની. અગર તો એવી (૨) તે કઈ ચીજ છે કે જેનું આપણા ગયા પછી અસ્તિત્વ રહે નહીં ? 'આ પગ મારો, હાથ મારો, નાક મારું, કાન મારો, આંખ મારી, આ આંગળી મારી, દાંત મારા, બત્રીસેય દાંત મારા.' આ શરીરમાં તો બહુ ચીજો છે બળી. પણ (૩) આ આટલી મમતા કરે તોય બહુ થઈ ગયું. પછી ડખો જ ના રહે ને ! બાકી, (૪) મમતા બહાર વિસ્તારવાની જરૂર નથી. વિસ્તારેલી મમતા તો ભૂલથી થઈ ગઈ છે આ લોકોને. (૫) એ અણસમજણથી ઊભું થયું છે. બાકી મમતાનો બહાર વિસ્તાર કરાય જ નહીં. પ્રશ્નકર્તા : એનો અર્થ એવો કે આ શરીર પૂરતી જ મમતા રાખવાની ? દાદાશ્રી : આ (૬) શરીર પૂરતી જ, અને એ મમતા પૂરેપૂરી રાખવાની. એને ખવડાવવું, પિવડાવવું, આ મમતામાં બધું બહુ સુખ છે. પણ આ સુખ નથી લેતા ને 'આ ઘર મારું, આ પ્લોટ મારો, આ ફલાણું મારું, આ મારી વાઈફ !' (૭) અરે, નહીં કોઈ થાય તારું. જેને આપણે 'મારું' કહીએ તે આપણા હાથમાં આવે નહીં. (૮) આપણે 'પરમેનન્ટ' છીએ. વિનાશી ચીજોનો મેળ આપણને પડે જ નહીં ને ? આનો ગુણાકાર જ ના થાય. છેવટે (૯) તો આ દેહ આપણો નથી થવાનો તો વહુ કે' દહાડે આપણી થવાની ? વહુ આપણી થાય ખરી ? આજે આ વહુને મમતા કર કર કરીએ અને પરમ દહાડે વહુએ ડાઈવોર્સ લીધો તો ? અને આ શરીરમાં તો કશું ભાંજગડ જ નહીં ને ! પ્રશ્નકર્તા : પણ આ શરીરમાં ઝાઝી મમતા રાખવા જેવું શું છે ? દાદાશ્રી : તો (૧૦) બહારની મમતા કરવા જેવુંયે શું છે ? એટલે (૧૧) કશું તમારું નથી. તમારું હોય તે તમારી સાથે આવે. કાયદો એવો છે કે જે તમારી વસ્તુ છે એ તમારી સાથે આવે જ, નિયમથી જ આવે. જે તમારી નથી એ વસ્તુઓ તમારી સાથે આવવાની નથી. (૧૨) માટે નથી જે તમારી, તેને મમતા કરીને શો અર્થ છે ? તે મિનિંગલેસ છે ને ! જેનું અપમાન, તે 'પોતે' ન્હોય આ 'ચંદુભાઈ'નું કોઈક અપમાન કરે તો શું થાય ? રાતે ઊંઘ ના આવે ને ? ઝાટકા વાગે ! આમ ક્ષત્રિય પ્રજાને, તે ઝાટકા વાગે. પેલો અપમાન કરનારો ઊંઘી ગયો હોય, પણ આ ઝાટકાવાળો ના ઊંઘે ! (૧) કોઈ અપમાન કરે ને આપણને ઊંઘ ના આવે એવું શા કામનું તે ? (૨) એવી નિર્બળતા શું કામની તે ? કોઈક અપમાન કરે ને આપણે શું કામ ના ઊંઘીએ ? અને (૩) કો'કનું અપમાન થાય છે, 'તમારું' થતું જ નથી. (પા.૧૦) (૪) 'તમારું' અપમાન કરે તો સહન ના જ કરવું જોઈએ. પણ એ 'તમારું' અપમાન નથી કરતો. તો શું કરવા આમ હાય હાય કરો છો ? (૫) આ તો કોઈકનું અપમાન થાય છે ને 'તમે' માથે લઈ લો છો. (૬) 'મને કર્યું' એવું તો ના હોવું જોઈએ ને ?! હા, 'તમારું' અપમાન ના કરવું જોઈએ કોઈએ. પણ (૭) 'તમારું' અપમાન કોઈ કરેય નહીં. તમને ઓળખે જ શી રીતે ? 'તમને' તો કોઈ ઓળખતું જ નથી ને ! ઓળખે તો 'ચંદુભાઈ'ને ઓળખે. એ 'આપણને' તો ઓળખતો જ નથી ને ! (૮) હવે એ અપમાન કરનારો ઉપકારી જ્યારે ગણાશે ત્યારે તમારું માન છેદાઈ જશે. કોનું અપમાન કરવાનું ? (૯) 'ચંદુભાઈ'નું. તારે જેટલું અપમાન કરવું હોય એટલું કર ને ! મારે ક્યાં એમની જોડે સાઢું-સહિયારું છે ? એ તો મારી જોડેના પાડોશી છે. અપમાનનો પ્રેમી (૧) કોઈ માણસ કંઈક અપમાન કરે તે વખતે એ અપમાન કરનારો માણસ, તમારાં કર્મનાં ઉદય થાય ત્યારે એ નિમિત્ત ભેગું થાય. (૨) તમારો કર્મનો ઉદય તમારે ભોગવવાનો છે, એમાં એનો શો દોષ બિચારાનો ? એટલે કરી જોજો અખતરો આ રીતે. (૩) અપમાન કરે, વખતે ગાળ ભાંડે તોય પણ આપણાં કર્મનો ઉદય છે એટલું માનજો. અગર (૪) તો આપણે રસ્તામાં જતાં હોઈએ અને ડુંગર ઉપરથી ગબડતો ગબડતો આવડો પથરો પડ્યો, તો આપણે શું કરીએ તે ઘડીએ ? પ્રશ્નકર્તા : ભાગ્યમાં હોય તો વાગે જ. દાદાશ્રી : ડુંગર ઉપરથી પથરો ગબડતો ગબડતો આપણા માથા પર પડ્યો એટલે એ વાગ્યો, એટલે આપણે જોઈ લઈએ કે કોઈ છે નહીં. માટે (૫) એમાં કોઈની પર કષાય કરતાં નથી અને કો'ક માણસે આવડો કાંકરો માર્યો હોય તો કષાય કરીએ છીએ, એનું શું કારણ ? આપણને સમજણ ફેર છે. (૬) એ કાંકરો મારનારોય ડુંગર છે અને પેલોય ડુંગર છે. આમાં શુદ્ધ ચેતન નથી, એ મિશ્ર ચેતન છે. એય પથ્થર જ છે, ડુંગર જ છે બિચારો. એટલે આટલું જો કરશો તો બહુ થઈ ગયું. 'ટેસ્ટ', પોતાપણાનો હમણે કશે ગાડીમાં જવાનું હોય ને તમને કહ્યું 'આવો.' ને બેસાડ્યા પછી બીજા એક જણે કહ્યું કે 'ઉતરો અહીંથી. હમણે એક જણ બીજા આવવાના છે.' તે વખતે શું કરો ? બેસી રહો ને ? 'નહીં ઊતરું' એવું કહો ને ? પ્રશ્નકર્તા : પોતે ઊતરી જાય. દાદાશ્રી : તરત ? પ્રશ્નકર્તા : તરત જ. ઊતરી જ જાય ને ! દાદાશ્રી : 'નહીં ઊતરું' એવું ના કહે ? પણ પછી આગળથી થોડેક છેટે જઈએ, ને પછી બોલાવે 'આવો'. તો આવે ને ? મોઢા પર ફેરફાર કશો ના થાય ને ? એટલે મેં શું કહ્યું છે ? (૧) આવું નવ વખત રહે તો હું કહું કે તું 'દાદો' થઈ ગયો જા. આવું નવ વખત કરે ને નવ વખત ઊતરી જાય અને (૨) નવેય વખત ઉતારનારને તું કર્તા ના માને, (૩) બોલાવનારનેય કર્તા ના માને, (૪) 'વ્યવસ્થિત'ને જ કર્તા માને. (૫) અને પાછા બોલાવે તોય મનમાં કશું યે નહીં, પણ હસતાં હસતાં પાછાં આવવાનું ને હસતાં હસતાં ઊતરવાનું, જો મઝા આવે, જો મઝા આવે ! (૬) ત્યારે શું કહેવાય એ ? કે આ ભઈ પ્રકૃતિનું રક્ષણ કરતો નથી અને એટલે આનું પોતાપણું ગયું. (૭) પોતે પ્રકૃતિનું રક્ષણ કરવું એ પોતાપણું. આ તો જે પ્રકૃતિથી છૂટવું છે તેનું જ રક્ષણ કરે છે. (પા.૧૧) યથાર્થ જાગૃતિ, જુદાપણાની પ્રશ્નકર્તા : ઉદય આવે, એમાં જાગૃતિ વર્તે તો દસ ટકા અગર તો બે ટકા પોતાપણું ખલાસ થયું તો એ જાગૃતિ કેવી હોય ? એ જાગૃતિ કઈ રીતે વર્તતી હોય તો પોતાપણું ખલાસ થાય ? દાદાશ્રી :(૧) 'હું શુદ્ધાત્મા છું' એ, પછી આ (૨) આજ્ઞાઓની એ બધી જાગૃતિ રહે. (૩) 'આ કોણ, હું કોણ' એ બધી જાગૃતિ રહે. (૪) મારનાર એ મારનાર નથી, એ શુદ્ધાત્મા છે, એવી બધી જાગૃતિ રહે. (૫) 'આ હું ન્હોય, આ હું' એ જે જાણે છે તે આત્મા ! (૬) 'આ હું અને આ હું ન્હોય' એવી બધી જાગૃતિ રહેવી જોઈએ. અખંડ જાગૃતિ ક્યારે વર્તે ? પ્રશ્નકર્તા : આ 'અક્રમ વિજ્ઞાન' એવું છે કે પેલું એક વખત તો મહીં અડવા જ ના દે 'પોતાને.' 'અક્કલ વગરનો' કોને કહે છે, એ પહેલી જાગૃતિ ઊભી થાય ! દાદાશ્રી : હા. પહેલી જાગૃતિ ઊભી થાય. એ જાગૃતિ હોય પછી એને અડવાનું નહીં. (૧) 'આવો, આવો' કહે છે તે કોને કહે છે, એ જાગૃતિ હોય તેને કશું અડવાનું નહીં. તમારે આવા સૂક્ષ્મ ફોડ પાડી લેવા. પ્રશ્નકર્તા : એ બહુ જરૂર છે. આ જાગૃતિનું અવિરતપણું જે ખંડિત થાય છેને, એટલે આવા બધા દોષો વચ્ચે કામ કરી જાય છે ? દાદાશ્રી :(૨) આ દોષો છે, તે વચ્ચે એને 'બ્રેકડાઉન' કરી નાખે છે. (૩) તેથી ભગવાને કહ્યું ને, કે 'કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન' પણ પેલું ખંડિત થઈ જાય છે. એટલે (૪) મીઠાશની ટેવ છોડી દો અને 'કડવા' તો કોઈ કહે નહીં બનતાં સુધી. કારણ કે વ્યવહાર એવો કે કડવાટ કોઈ કહે નહીં. (૫) છતાં કડવા કહે તો જાણવું કે આ તો આપણું 'વ્યવસ્થિત' છે. (૬) ભોગવે એની ભૂલ ! પ્રશ્નકર્તા : કડવાશમાં તો વધારે જાગૃતિ રહે. દાદાશ્રી : એટલે (૭) મીઠાશમાં જ ભમી જાય! (૮) હવે કોઈ પણ જાતનો વાંધો-વચકો ના હોય ત્યારે અખંડ જ્ઞાન વર્તે. આ તો અખંડ જાગૃતિનો માર્ગ છે. તો રોકાય સ્વચ્છંદ પ્રશ્નકર્તા : વ્યવહારના પ્રસંગમાં જ્યાં 'ડિસીઝન' લેવાનું હોય, ત્યાં પેલી વ્યવહારિક સૂઝ કામ લાગે કે નહીં ? દાદાશ્રી : હા, (૧) સૂઝ જ કામ લાગે. પણ સૂઝ ના હોય તો ક્યાંથી લાવે ? હા, નહીં તો પછી (૨) પોતાનો વિશ્વાસુ હોય તેને પૂછીને કામ કરવું. પૂછીને કામ કરીએ એના જેવું એકુય નહીં, આ દુનિયામાં ! પૂછીને કરે કે, 'સાહેબ, પેશાબ કરવા જાઉં ?' ત્યારે એ કહે, 'જાવ.' પછી એનો ગુનો નહીં ને ! પછી ત્યાં ભલે ને, દશ મિનિટ બીડીઓ પીધી. પણ એમ ને એમ પૂછયા વગર જાય ત્યારે પકડે એને. 'કેમ બીડીઓ પીવા ગયો હતો ?' કહેશે. માટે પૂછીને જાવ. પ્રશ્નકર્તા : પૂછીને જવામાં સ્વચ્છંદ નામનો ભાગ આખો તૂટી જાય ને ? દાદાશ્રી : હા, એટલા માટે જ, (૩) સ્વચ્છંદ કાઢવા માટે જ આ પૂછીને કરવાનું ને ! તેથી જ ગુરુ કરવા માટે કહેલુંને ! પોતાના ડહાપણે જ ચાલવાનું નહીંને ! અને ગુરુ કહે એ સોળ આની. (૪) આપણે આ ભાઈને કહીએ કે 'આ બાજુ દોડ.' એ પછી પૂછવા ના રહે, એનું નામ સ્વચ્છંદ ગયો કહેવાય. અને (૫) પૂછવા જાય બીજાં કોઈકને કે 'આ (પા.૧૨) દાદા કહે છે એ બાજુ દોડું કે ના દોડું ?' એ સ્વચ્છંદ કહેવાય. હા, વ્યવહારિક બાબતમાં તો મને કંઈ પૂછવાની જરૂર નથી. એમાં આપણે 'ફાધર'ને પૂછીએ કે બીજાં કોઈ આપણાથી મોટી ઉંમરનાં હોય, અનુભવી હોય એને પૂછીએ. (૬) વ્યવહારિક બાબતોમાં વ્યવહારિક માણસો બધા મોટી ઉંમરના હોય ને, એ બધી સમજણ પાડે. પ્રશ્નકર્તા : પણ આવા વ્યવહારમાં 'ટાઈમે' તો 'કોમનસેન્સ' જ 'એપ્લીકેબલ' થાય ને ? દાદાશ્રી : પણ 'કોમનસેન્સ' લાવે ક્યાંથી તે ? એ તો (૭) આપણા પુસ્તકો વાંચ વાંચ કરે તો એવી સૂઝ આવે પછી. બાકી, 'કોમનસેન્સ' ક્યાંથી લાવે ? એ કંઈ રેઢિયાળ ચીજ છે ? કાચા કાનના ના થવાય જગત તો બહુ જુદી જાતનું છે. ઘરમાં આપણે મતભેદ ટાળવો હોય તોય બહારથી લોક ફાચર મારી જાય. (૧) મને કોઈ કહે કે 'ફલાણાભાઈ આવા છે' તો હું તેને જ પહેલો પકડું કે 'તું મને આમ કહેવા જ કેમ આવ્યો ? એ મને કહે, (૨) તું કહેવા આવ્યો માટે તું જ ગુનેગાર છે.' એવા માણસ, જે કહેવા આવેને, તેની પર તો ચોકડી જ મૂકી દેવી. (૩) વગર કામનું આપણા પૂછયા વગર જે કંઈ પણ કહેવામાં આવે છે તેના પર આપણે ચોકડી મૂકી દેવી. એવા માણસને તો મેં ચોકડી જ મૂકેલી હોય. એ ઘાલમેલિયા કહેવાય. (૪) ઘાલમેલિયાને તો અડવા જ ના દઈએ. મારી પાસે તો કોઈ માણસે કશી ઘાલમેલ કરી નથી. વખતે એવી વાત મને કરવા આવ્યો હોય તો એનાથી એવી વાત થાય પણ નહીં. ખરી રીતે (૫) ધર્મ સંબંધમાં કોઈનીયે વાત સાંભળવી નહીં. (૬) હું તો સંસાર સંબંધીયે કોઈની વાત ના સાંભળું ને ! કોઈ કહે કે, 'હીરાબા આવું બોલતાં હતાં.' તો હું કહું કે, 'તારે મને કેમ કહેવું પડ્યું ? એ મને કહે, તને આનાથી શું ફાયદો ?' આપણા સત્સંગમાંય જે ઘાલમેલિયા હોય તેને તો ખોળી કાઢવા જોઈએ અને એનાથી બધાંને ચેતવવા જોઈએ. આપણને એના જોડે કંઈ રાગ-દ્વેષ નથી, પણ બધાંને ચેતવા માટે કરવું પડે. આપણને તો કોઈ કહેવા જ શું આવે ? તેમાંય આ (૭) કેટલાક તો એવાં હોય, જાણે હિતેચ્છુ થઈને વાત કરે. કોઈનું કહેતો હોય તો આપણે તેનું સાંભળીએ જ નહીં. એવું કહેનારને જ પકડતાં આવડવું જોઈએ કે 'અમને કેમ કહેવા આવ્યો છે ? તને શું દલાલી મળે છે ? તને શો ફાયદો થાય છે, તે તું આ મને કહેવા આવ્યો છે ?' (૮) ખરી રીતે કોઈનુંયે એવું કશું સંભળાય જ નહીં. પણ આજે માણસનાં મન કાચાં પડી જાય છે. બાકી આવી (૯) તોડફોડની વાત હોય, 'સેબોટેજ'ની વાત હોય તો કોઈનીયે વાત સાંભળીએ જ નહીં. કારણ કે એની વાત આપણે સાંભળીએ એટલે આપણું મન પેલા માટે બગડે, ને એની અસર પાછી સામા પર પડે. પણ માણસનું સમજવાનું ગજું નહીં. વખતે પેલો 'ઇનડિરેક્ટ' કહેતો હોય ત્યાં એ પોતે 'ડિરેક્ટ' લઈ લે ! (૧૦) અને આપણા લીધે સામાને સહેજ પણ ડખો થાય એવું બોલવું એ મોટામાં મોટો ગુનો છે. છતાંય લોક તો બોલે જ છે ને ! (૧૧) ઊલટું એવું બોલ્યા હોય તો યે દાબી દેવું જોઈએ, એનું નામ માણસ કહેવાય. (૧૨) કોઈ જગ્યાએ કોઈ માણસ ઉકળાટમાં બોલી ગયા હોય તો યે એને આપણે દાબી દેવું જોઈએ. એક ફેરો મનમાં વિખવાદ પડી ગયો પછી એની લિંક ચાલુ થઈ જાય, પછી મનમાં એના માટે (પા.૧૩) ગ્રહ બંધાઈ જાય કે આ માણસ આવો છે. ત્યારે (૧૩) આપણે મૌન લઈને સામાને વિશ્વાસમાં લેવા જેવું છે. આ બોલ બોલ કરવાથી કોઈનું સુધરે નહીં ! સુધરવાનું હોય તો 'જ્ઞાની પુરુષ'ની વાણીથી સુધરે. છોકરાં માટે તો મા-બાપની જોખમદારી છે. આપણે ના બોલીએ તો ના ચાલે ? ચાલે. (૧૪) એટલે ભગવાને કહ્યું છે કે જીવતો જ મરેલાંની જેમ રહે. (૧૫) બગડેલું સુધરી શકે છે. બગડેલાને સુધારવું એ 'અમારાથી' થઈ શકે, તમારે ના કરવું. (૧૬) તમારે અમારી આજ્ઞા પ્રમાણે ચાલવું. એ તો જે (૧૭) સુધરેલો હોય તે જ બીજાને સુધારી શકે. (૧૮) પોતે જ સુધર્યા ના હોય તે બીજાને શી રીતે સુધારી શકે ? એનાં જોખમ તો ભારે (૧) લોકોએ કહ્યું હોય કે 'આ નાલાયક માણસ છે' તોય આપણે એને લાયક કહેવો. કારણ કે (૨) વખતે નાલાયક ના પણ હોય. ને (૩) એને નાલાયક કહેશો તો બહુ દોષ બેસશે. (૪) સતી હોય ને જો વેશ્યા કહેવાઈ ગઈ તો ભયંકર ગુનો, તેનું કેટલાંય અવતાર સુધી ભોગવ્યા કરવું પડશે. માટે (૫) કોઈનાયે ચારિત્ર-સંબંધમાં બોલશો નહીં. કારણ કે એ ખોટું નીકળે તો ? (૬) લોકોના કહેવાથી આપણેય કહેવા લાગીએ તો એમાં આપણી શી કિંમત રહી ? (૭) અમે તો એવું કોઈ દહાડોય કોઈનું યે બોલીએ નહીં ને કોઈનેય બોલ્યો નથી. હું તો હાથ જ ના ઘાલું ને ! (૮) એ જવાબદારી કોણ લે ? કોઈનાં ચારિત્ર્ય સંબંધી શંકા ના કરાય. બહુ મોટું જોખમ છે. શંકા તો અમે ક્યારેય લાવીએ નહીં. જોખમ આપણે શું કરવા લઈએ ? (૯) આ દુનિયામાં ગેરકાયદેસર એક ક્ષણવાર કોઈ ચીજ થતી જ નથી. (૧૦) જે જે થાય છે એ કાયદેસર જ થાય છે. માટે એમાં ભૂલ ખાતા નહીં. જે થાય છે એ કાયદેસર વગર થતું જ નથી. માટે એમાં શંકા ના કરશો. એની પકડ ના હોય (૧) આ દુનિયામાં સત્ય વસ્તુ હોતી જ નથી. સત્ અવિનાશી છે. (૨) સત્ અવિનાશી છે. બીજું સત્ હોતું જ નથી. બીજું સાપેક્ષ ભાવ છે બધો અને એની પકડ પકડે. (૩) હવે સાચી વાત પકડી રાખવી એ જૂઠ છે. સત્યનું પૂછડું પકડે એ અસત્ય જ છે અને (૪) અસત્ય યે છોડી દે તે સત્ય છે. પકડી રાખ્યું કે બધું બગડ્યું. જ્યારે અમને સહેજેય ગ્રહ કે આગ્રહ નહીં. કોઈ પણ બાબતમાં સહેજ પણ ગ્રહ નહીં કે આગ્રહ નહીં, કે આમ જ ! એક સેકન્ડેય નહીંને ! (૫) આ ખરું છે, આ સત્ય છે, એવું યે અમારો આગ્રહ ના હોય. (૬) આ જ્ઞાન થયું છે, એય આગ્રહ ના હોય. તમે કહો કે, 'પેલું ખોટું છે' તોય આગ્રહ ના હોય. તે તમારી દ્રષ્ટિથી આવ્યું એ સાચું. (૭) આપણને મતભેદ કોઈ જગ્યાએ ના પડતો હોય, તો આપણે 'કરેક્ટ' રસ્તા ઉપર છીએ એ વાત નક્કી માની લેવી. અને (૮) મતભેદ પડે ત્યાં આગળ જાણવું કે હજુ આ રસ્તો 'ક્લિયર' નથી થયો. હજુ ઉપર ડુંગર તોડવાનાં છે, મોટા મોટા પથ્થર આવે તે કાઢવાનાં છે. નહીં તો રોડ ઉપર પથરો હોય તો અથડાય જ ને ! સરળ થઈ ઉકેલ લાવવો પ્રશ્નકર્તા : બે વ્યક્તિઓને અણસમજણ ઉત્પન્ન થાય, ગેરસમજ ઉત્પન્ન થાય તો વાદવિવાદ થયા વગર રહે જ નહીં. દાદાશ્રી : એટલે ત્યાં બંધ કરી દેવું. (૧) એટલે પકડ પણ નહીં રાખવી જોઈએ ને !(૨) પકડી રાખવાનો બહુ મોટો ગુનો, વધારે ગુનેગાર છે. આપણો આત્મા કબૂલ કરે એવી વાત હોય ત્યાંય તરત ફરી જાય, ત્યાં પકડી ના રાખે. જ્યારે પકડી રાખે એને સરળ ના કહ્યું. (પા.૧૪) પ્રશ્નકર્તા : એટલે કોઈ પણ 'પોઈન્ટ' પર ગેરસમજ ઉત્પન્ન થાય અને સામો માણસ કહે કે 'તમે કરેક્ટ છો', નહીં તો એ વાત છોડી જ દેવી જોઈએ ને ? દાદાશ્રી : હા, (૩) છોડી દેવી. વાંધો શું છે ? ના છોડી દઈએ તો સામાના મનમાં રહ્યા કરે ને ! કહેશે, 'આ આવું કેમ બોલ્યા ?' ત્યારે મેં કહ્યું, ''બોલવું એ શું 'વ્યવસ્થિત' નથી ? એણે પૂછયું તે 'વ્યવસ્થિત' નથી ?'' અમારી પાસે ઉકેલ હોય. નહીં તો આનો ક્યારે પાર આવે ? પણ અમે ઉકેલ લાવી નાખીએ. (૪) 'આ ખરો છે અને આ ભૂલ્યા છે' એ કહેવું એ ભૂલ છે આપણી. (૫) આપણે તરત જ એમ માનવું કે, 'ભઈ, એમનું સાચું ને આપણું ખોટું.' એમ કરીને હેંડવા માંડ્યા એટલે એમનેય ડખલ ના રહીને ! કોઈનો 'ક્લેઈમ' રહે નહીં પછી. (૫) કોઈનો 'ક્લેઈમ' રાખી અને આપણે છૂટીએ, એવું બને નહીં ને ! ભરેલા માલનો પક્ષ ના લઈએ (૧) જ્યાં અહંકાર હજુ ભરેલો છે મહીં, એટલે જક્કે ચઢે ખરો ને હજુ. છતાં એ નિકાલી અહંકાર છે, એ સાચો અહંકાર નથી. તો પણ (૨) પોતે એનો પક્ષ લે. ખરાખરી કરાવનારા નીકળ્યા ! એ ના હોવું જોઈએ. (૩) જક્કે ચઢે ને, તો આત્માને આવરણ વધારે ચઢે. સામાના સંશયની સામે પ્રશ્નકર્તા : હવે સામો કોઈ આપણા ઉપર સંશય રાખે તો એનો કેવી રીતે પોતે ઉકેલ લાવે ? દાદાશ્રી :(૧) એ સંશય રાખે છે એવું આપણે જ્ઞાન જ ભૂલી જવાનું. એ જે જ્ઞાન છે આપણને, એ જ્ઞાન જ ભૂલી જવાનું. (૨) સામો સંશય રાખે છે કે નથી રાખતો, એ તમને શું ખબર પડે ? પ્રશ્નકર્તા : મને આવી આવી શંકા છે, એવું મોઢે કહે તો ? દાદાશ્રી : મોઢે કહે તો કહીએ, 'શંકા તમને છે, દુઃખી તમે થશો. શંકા રાખશો તો દુઃખી થશો.' એવું કહી ચૂકીએ. પછી જે થાય, તેને આપણે શું કરીએ ? અને (૩) તમારાં એવાં આચરણ નહીં હોય તો તમને કોઈ શંકા કરશેય નહીં. જગતનો નિયમ જ છે એવો ! (૪) કો'ક દહાડો એવાં આચરણ કરેલાં છે, તેથી આ શંકા ઊભી રહી છે. (૫) કારણ કે ગુનો થયો હતો પચ્ચીસ વર્ષનો હતો ત્યારે અને સાઠ વર્ષનો થાય ત્યારે કોર્ટમાં કેસ ચાલ્યો ! આ (૬) આવું બધું હોય છે. માટે કોઈ શંકા કરે છે તે આપણો જ ગુનો છે. પ્રશ્નકર્તા : એને આપણા પર સંશય આવ્યો હોય તો આપણે પૂછવું પડે કે કેમ સંશય આવ્યો ? દાદાશ્રી : પૂછવામાં મઝા જ નહીં. એ પૂછવું નહીં. (૭) આપણે તરત જ સમજી જવું કે આપણો કંઈક દોષ છે. નહીં તો શંકા કેમ આવી ? (૮) કેટલાંક માણસો ચોર નથી હોતા, છતાં એના પર ચોરીની શંકા આવે છે. તો એ ચોર પહેલાં હોવો જોઈએ. નહીં તો એમ ને એમ શંકા ના પડે. પ્રશ્નકર્તા : સામાં માણસની દ્રષ્ટિ એવી હોય તો આપણે શું કરીએ ? દાદાશ્રી : ના, (૯) સામાની દ્રષ્ટિ એવી નથી હોતી. એ આપણી જ ભૂલનું પરિણામ છે. (૧૦) એટલું જગત ગેરકાયદેસર નથી કે તમારામાં ભૂલ ના હોય તો સામાને દ્રષ્ટિ આવી ઉત્પન્ન થાય. (૧૧) જગત બિલકુલ કાયદેસર, એક સેકંડે સેકંડ કાયદેસર છે ! (૧૨) ''ભોગવે એની ભૂલ'' એ વાક્ય લગાડી દીધું કે ઉકેલ આવી ગયો. શંકા કરનાર છે તે ભોગવે છે કે શંકા જેની પર થાય છે તે ભોગવે છે, એ જોઈ લેવું. (પા.૧૫) પ્રશ્નકર્તા : મારી સમજણ પ્રમાણે તો આ પાંચ આજ્ઞા 'દાદા'એ જે આપી છે, એનું પાલન બરોબર નહીં થવાને કારણે આ પ્રશ્નો ને શંકા બધું ઉપસ્થિત થાય છે. દાદાશ્રી : હા, નહીં તો ઊભું જ ના થાય. (૧૩) આજ્ઞા પાળે તો કશું હોતું જ નથી. (૧૪) આજ્ઞાપાલનમાં જરા કચાશ આવે એટલે પેલું થઈ જાય. આજ્ઞા પાળે છે ને તે તો, એવાં આપણે ત્યાં તો લગભગ હજારો માણસો સમાધિમાં રહે છે. કાન દઈને સાંભળવું ... કોઈને કોઈ માણસ જોડે કંઈ ભાંજગડ થઈ હોય, ત્યાં કોઈ બેઠું હોય, ને તે પછી ભેગો થાય તો તેને પૂછે ને, કે મારા ગયા પછી એ શું બોલતા હતા ? એવું બને કે ના બને ? પ્રશ્નકર્તા : હા, એવું બને. એ શું કહેવાય ? દાદાશ્રી : એ વસ્તુ આખોય મોક્ષમાર્ગ જ ઉડાડી દે. (૧) 'મારા સારુ શું બોલતા હતા ?' એવું જો રહે તો આખો મોક્ષમાર્ગ ઊડી જાય. પ્રશ્નકર્તા : પણ આવું જ્યારે આપ ફોડ પાડો કે આ બાધક વસ્તુ છે, ત્યારે સમજાય. દાદાશ્રી :(૨) પાછળ ગમે તે બોલે તોય મહીં કશું થાય નહીં, એવી આપણી જાત કરી નાખવી. અરે, કાન દઈને હઉ સાંભળે ! કઈ જાતના નાલાયક માણસો ! (૩) આપણે માટે બોલતા હોય તો આપણામાં કંઈ પણ ગુનો હશે ને ? નહીં તો કોણ નામ દેનારું છે ? (૪) વળી કાન દઈને સાંભળવું એ કેટલી બધી નાલાયકી છે ! જોનારાને કેવું ખરાબ લાગે? એ ભયંકર ગુનો છે. (૫) છો ને દુનિયા આખી બોલે. ઘણાય લોકો કહે છે, 'દાદા, તમારા માટે આમ બોલે છે !' મેં કહ્યું, 'હા બરોબર છે. સારું બોલે છે.' પછી કહેશે, 'પેપરમાં હઉ છપાવે છે.' (૬) 'પેપરમાં છપાવે તો સારું. ઊલ્ટું આ દાદાને ઓળખ્યા ને !' (૭) મને ભડક ક્યારે કે દોષ મારામાં હોય તો ! નહીં તો આખી દુનિયા છે તે ભૂંક્યા કરે, પણ 'સ્ટ્રોંગ' હોય તેને શું ? પ્રશ્નકર્તા : જેને આ દિશા ચૂકવી નથી, એ જ નિશ્ચય હોય તો ? દાદાશ્રી : એ નિશ્ચય તો હોય જ. પણ જોડે જોડે પાછું પેલું આરાધવું છે, એય નક્કી રાખે છે ને ? (૮) એ તો એક દોષ થયો, હજુ તો આવાં કેટલાંય દોષો છે. એ બધા કાઢવા પડશેને ! માટે 'પ્રાઈવસી' સાંભળવાનો પ્રયત્ન ના કરવો કે, 'આપણા માટે શું બોલે છે.' અને (૯) આમાં 'ઈન્ટરેસ્ટ' શાથી હોય છે ? પોતાનું કપટ હોય છે એટલે. કપટ નહીં કામ લાગે, સહેજેય ! (૧૦) અને કોઈ માણસ વાત આપણી સાંભળીને આવ્યો હોય ને, તે માણસ આપણને પાછો મીઠો લાગે. બદલાતાં કર્મોની નોંધ શી ? કોઈ તમને કંઈ કહી જાય તો ત્યાં આગળ ન્યાય શું કહે છે ? (૧) એ કર્મના ઉદયે તમને કહી ગયો. (૨) હવે એ ઉદય તો એનો કહેવાનો પૂરો થઈ ગયો અને તમારોય ઉદય સાંભળવાનો પૂરો થઈ ગયો. હવે તમારે લેવાદેવા ના રહી. (૩) હવે ફરી છે તે તમે એને તાંતો રાખીને જુઓ છો, ત્યારે પેલાં જ કર્મનો ઉદય તમે લાવો છો એટલે ગૂંચવાડો ઊભો કરો છો. (૪) હવે પેલો બીજાં જ કર્મમાં હોય છે તે વખતે. સમજવા જેવી વાત છે ને ? પણ ઝીણી વાત છે. આનો કોઈ ખુલાસો જ ના હોય ને, તાંતો રાખેલા હોય તે ? અને (૫) તાંતા રાખનારા માણસો ખુલાસો ખોળે તો એનો ક્યારે પાર આવે ? એટલે (૬) ગઈ કાલે આપણું કોઈ અપમાન કરે (પા.૧૬) ને, એ માણસ આજે દેખીએ તો એ નવો જ લાગવો જોઈએ અને એ નવો જ હોય છે. (૭) પણ એ નથી દેખાતું તો આપણી ભૂલ થાય છે. (૮) આપણે બીજા રૂપમાં જોઈએ છીએ. પણ એ નવો જ હોય છે. (૯) એક કર્મ પતી ગયું એટલે એ બીજા કર્મમાં જ હોય. એ બીજા કર્મમાં હોય કે એના એ જ કર્મમાં હોય ? પ્રશ્નકર્તા : બીજા કર્મમાં હોય. દાદાશ્રી : અને (૧૦) આપણે એ જ કર્મમાં હોઈએ. તે કેટલો બધો ગંદવાડો કહેવાય ! તમારે કોઈ ફેરો બને ખરી કે ભૂલ ? નોંધ રાખો કે ? પ્રશ્નકર્તા : પહેલાં તો નોંધ લેવાની ટેવ હતી, હવે નથી લેવાતી. દાદાશ્રી : નથી લેવાતી ને ? નકામી ચોપડી બગાડવી. લોક તો નોંધવહી રાખે. આમને એક જણ કહે કે 'તમે પ્રકૃતિના નચાવ્યા નાચો છો. તમે ભમરડા છો.' પણ તોય અમારે નોંધ નહીં રાખવાની. તે પછી હું એને વઢ્યો. મેં કહ્યું, 'અલ્યા, આમને કહેવાતું હશે ? આ કઈ જાતનો માણસ છે તે ?' પણ એમણે નોંધ નહીં રાખી. અમે નોંધ ના રાખીએ. (૧૧) અમે એના મોઢા પર કહી દઈએ ખરા, પણ પછી નોંધ ના રાખીએ (૧૨) નોંધ રાખવી એ તો ભયંકર ગુનો છે. એટલે કોઈને દાદ નહીં, ફરિયાદ નહીં, કશું નહીં. (૧૩) કોઈ અપમાન કરી ગયો હોય તો તમારે મને દાદ-ફરિયાદ કરવાની ના હોય. દાદ-ફરિયાદ નકામી ગઈ. (૧૪) બન્યું એ બરોબર છે, ન્યાય જ છે ને ! પ્રશ્ન જ ઊભો નહીં થતો ને ? એવું આ વિજ્ઞાન છે, ચોખ્ખું !! નોંધ લેવાનો આધાર પ્રશ્નકર્તા : નોંધ ખરેખર કેવી રીતે લેવાય છે, એનો એક દાખલો આપો ને ! દાદાશ્રી : અહીં રસ્તામાં તમે જતાં હો ને કોઈ તમને કહે કે, ''આ 'દાદા'ની પાછળ ના ફરો તો ચાલે. વગર કામના તમે બહુ ઉપાધિ કરો છો.'' અને થોડુંઘણું (૧) એકાદ-બે શબ્દો એવા બોલ્યા કે આપણને ના ગમે એવા, એટલે પછી આપણે નોંધ લઈએ કે 'આવો નાલાયક માણસ ક્યાંથી ભેગો થયો ?' એ નોંધ લઈએ. (૨) અગર તો 'ગમે' તેવું હોય તો પણ નોંધ લીધા વગર રહે નહીં. (૩) એટલે 'ના ગમે' તોય નોંધ લે અને 'ગમે' તોય નોંધ લે. (૪) સહેજ પણ અરુચિ ઉત્પન્ન થઈ કે નોંધ લઈ લે. અરુચિ થાય ને નોંધ ના લે તો મોક્ષ આપે. (૫) કોઈકે આપણને અરુચિ કરાવડાવી અને નોંધ ના લે તો મોક્ષ થાય. એ મોક્ષને માટે પગથિયું છે. પાછું એ પગથિયે એ ઉતરે. જે પગથિયે ચઢાય તે જ પગથિયે ઉતરે માણસ. ભૂલ ભાંગવી, 'સાયન્ટિફિકલી' પ્રશ્નકર્તા : દાદા, આ જે નોંધ રખાય છે તેનું કારણ શું ? દાદાશ્રી : આ (૧) નોંધથી શું નુકસાન છે એની એને ખબર જ નથી. (૨) હવે નુકસાનની એને સમજણ પડી ગઈ એટલે પછી નોંધ ઓછી થવાની. (૩) તને પ્રતીતિ બેઠી કે આ તું નોંધ રાખે છે એ ખોટું છે. હવે તને એ અનુભવમાં આવતું જશે કે નોંધ ના રાખી તેનો મને ફાયદો થયો. ૪ નોંધ ના રાખી, તે પછી ધીમે ધીમે એને સ્વાદમાં આવતું જ જાય કે ખરેખર આ લાભકારી જ છે. પછી આચારમાં આવે. આ એની રીત ! એટલે પેલા (૪) આચારમાંથી છૂટવું હોય તો આચાર છૂટતાં પહેલાં પહેલી પ્રતીતિ બેસે. પછી પાછું એને અનુભવ થતો જાય. ત્યાર પછી પેલો આચાર છૂટે. એટલે એનાં 'સાયન્ટિફિક રિઝલ્ટ'થી આવે ને ? દાદરો ચઢવો હોય તો એકદમ ચઢી જવાય છે ? એ (પા.૧૭) તો પગથિયે પગથિયે જ ચઢાય ને ! કંઈ એકદમ પગથિયું ના ચઢી જવાય. ફેર, યાદ અને નોંધમાં પ્રશ્નકર્તા : આપ નોંધ નથી રાખતા પણ આપને યાદ બધું જ હોય ને ! દાદાશ્રી : હા, યાદ હોય પણ નોંધ ના હોય. પ્રશ્નકર્તા : એમાં શું ફેર, દાદા ? દાદાશ્રી :(૧) નોંધ રાખે એટલે તો એના માટે મહીં વેર રાખ્યું હોય. અને યાદ એટલે તો અમેય સમજીએ કે આનામાં આટલી નબળાઈ રહેલી છે, એટલું જ ! (૨) તે નબળાઈ રહી છે, માટે અમે આશીર્વાદ આપવા માટે યાદ રાખીએ. બાકી, અમારે કંઈ નોંધ ના હોય. (૩) આ ભાઈ ગમે તે કરે કે તમારામાં ગમે તે ફેરફાર થાય તોય અમે એની નોંધ ના રાખીએ. (૪) તે અમારે ડખલ જ નહીં ને, કોઈ જાતની ! એટલે તું મને અળખામણો કોઈ દહાડો લાગે જ નહીં, તું મને વહાલો જ લાગ્યા કરે. (૫) તેં પરમ દહાડે અવળું કર્યું હોય, તેને મારે કશું લેવાદેવા નહીં. (૬) હું નોંધ રાખું ત્યારે ભાંજગડ ને ! હું જાણું કે તારામાં તો નબળાઈ ગઈ નથી, તેથી ઊંધું થાય જ ને ! (૭) એટલે આ નોંધ જ રાખવા જેવું નથી. (૮) 'વ્યવસ્થિત' શેને કહેવાય ? કે જે વસ્તુની આપણે નોંધ જ ના રાખીએ, એનું નામ 'વ્યવસ્થિત'. નોંધ રાખીએ એને 'વ્યવસ્થિત' કેમ કહેવાય ? શુદ્ધ વ્યવહાર, થાય ડખાથી અશુદ્ધ (૧) વ્યવહાર તો 'વ્યવસ્થિત' જે પ્રમાણે ચલાવે છે એ શુદ્ધ વ્યવહાર છે અને તેમાં 'આપણે' (૨) ડખો કરીએ એ અશુદ્ધ થયું, ડખો કરવો નહીં ને (૩) ડખો થઇ જાય તો કર્મો ખપાવ્યા વગરનાં છે એટલે થઇ જાય છે. તો સાંજે 'આપણે' પા કલાક બેસી અને (૪) ચંદુભાઈને ઠપકો આપવાનો. 'આપણે' કહેવાનું કે જો તમે વગર કામનાં તે વખતે બાબા જોડે માથાઝીક કરી હતી. આ વહુ જોડે માથાઝીક કરી. આ ખોટું કર્યું, આમ ના કરવું જોઈએ, આવું કરાતું હશે ? તે ઠપકો આપીએ. ને મહિના સુધી ઠપકો આપીએ તો ચંદુભાઈનું બંધ થઈ જાય. (૫) 'ચંદુભાઈ' પણ સમજુ છે, પણ ઠપકો આપનાર જોઈએ. કોઈ વઢનાર તો જોઈને ? એટલે આપણે ઠપકો આપવાનો. નહીં તો (૬)અવળું માનીને એ અવળું ચાલ્યા કરે અને ચંદુભાઈનું અવળું ચાલ્યું એટલે આપણુંય અવળું ચાલ્યું. અહીં પૂના જવાનું હોય તેને બદલે ચંદુભાઈ અમદાવાદની ગાડીમાં બેઠાં, તો પછી આપણેય અમદાવાદ જવું પડેને ? માટે (૭) ચંદુભાઈ સવળાં ચાલે એવો રસ્તો આપણે કર કર કર્યા કરવાનો, તે ચંદુભાઈય છૂટે અને આપણેય છૂટીએ. આપણાં વાંકે સામો વાંકો (૧) શેઠ ઈનામ આપતા હોય તે આપણું 'વ્યવસ્થિત' અને (૨) જ્યારે આપણું વ્યવસ્થિત' અવળું આવે ત્યારે શેઠના મનમાં એમ થાય કે, 'આ ફેરા એનો પગાર કાપી લેવો જોઈએ.' એટલે શેઠ પગાર કાપી લે, એટલે મનમાં એમ થાય કે 'આ નાલાયક શેઠીયો છે, આ નાલાયક મને મળ્યો.' (૩) પણ આવા ગુણાકાર કરતાં માણસને આવડે નહીં કે એ નાલાયક હોત તો ઈનામ શું કામ આપતાં હતા ! માટે કંઈક ભૂલ છે, (૪) હિસાબ કાઢવામાં બીજી કંઈક ભૂલ છે. (૫) શેઠીયો વાંકો નથી, આ તો આપણું 'વ્યવસ્થિત' ફરે છે ! (૬) આ ઘઉં સંગ્રહનાર છે એ વાંકા નથી, આપણને ઘઉં નથી મળતા તો તે આપણું 'વ્યવસ્થિત' વાંકું છે. એટલે (૭) આપણે શું કહીએ છીએ કે ભોગવે એની ભૂલ. એ ઘઉંના સંગ્રહનાર તો જ્યારે પકડાશે ત્યારે (પા.૧૮) એમની ભૂલ, ત્યારે એ ગુનેગાર થશે. અત્યારે પકડાયો નથી. હજી તો મોટરોમાં ફરે છે. માટે ભોગવે તેની ભૂલ ! (૮) ગાળો ખાધી તેય વ્યવસ્થિત, માર ખાધો તેય વ્યવસ્થિત ને ઈનામ મળ્યું તેય વ્યવસ્થિત. વ્યવસ્થિત કહેવાનો ભાવાર્થ શું છે ? કે તું કરવા ગયો સમું ને અવળું થઈ ગયું, તો 'વ્યવસ્થિત' કહેજે. એટલે પછી એનું આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાય. વીતરાગોની છેલ્લામાં છેલ્લી દ્રષ્ટિએ હમણે કઢીમાં જરાક મીઠું વધારે હોય, ભઈ ટેબલ ઉપર જમવા બેઠા હોય તો (૧) કઢીમાં મીઠું વધારે કેમ પડ્યું ? ત્યારે કહે, ઈફેક્ટના આધારે. એટલે સમાધાનપૂર્વક નિરાંતે ખાવી જોઈએ. કારણ કે (૨) જગતમાં કોઈ દોષિત છે જ નહીં. (૩) આ જગત સંપૂર્ણ નિર્દોષ જ છે. (૪) જે દોષિત દેખાય છે તે પોતાના દોષને લઈને જ દોષિત દેખાય છે. બેભાનપણાને લઈને જ દોષિત દેખાય છે. (૫) આખું જગત જે જે કરે છે, તે બધું કુદરતી વિસર્જન જ છે. પછી 'જપ કરો કે તપ કરો' બધું જ કુદરતી વિસર્જન છે. (૬) સર્જન આગળ ઉપર પૂર્વભવે થયેલું છે, સર્જનમાં પોતે નિમિત્ત હોય છે અને વિસર્જનમાં પોતાનો કંઈ જ હાથ નથી. આ બધું કુદરતી વિસર્જન છે. (૭) એટલે ફૂલ ચઢાવે છે એનો ઉપકાર શો ? અને ગજવું કાપે છે તેનો અપકારેય શો? જે કંઈ પણ કરે છે, તમે અહીં આવ્યા છો, આખું જગત જે કંઈપણ કરી રહ્યું છે, તે બધું જ છે તે કુદરતનું વિસર્જન છે. આ અમને જેટલું દેખાયું તેટલું અમે ઉઘાડું કરીએ છીએ. સમકિતી માટે સર્જન-વિસર્જન (૧) બધું વિસર્જન થઈ રહ્યું છે, એમાં શું કો'કના દોષ જોવાના ? (૨) દોષ જોવાઈ જાય, એ પણ વિસર્જન છે. પણ તેને 'આપણે' જોવાનું કે 'ઓહોહો ! આ ચંદુભાઈ દોષ જુએ છે.' અને ચંદુભાઈને કહેવાનું કે 'પ્રતિક્રમણ કરો.' (૩) વિચાર થઈ જાય તેય વિસર્જન છે. પણ તેને આપણે જોવાનો. (૪) અને કર્તા, ખરેખર કર્તા નથી. (૫) વસ્તુઓ હોય તો એ કરી શકે. એટલે ખરેખર કર્તા નથી. માટે નૈમિત્તિક કર્તા છે. (૬) પરવશપણે કર્તા છે. બધા સંજોગો ભેગા થવાથી કાર્ય થાય છે. જગત વિસર્જન છે. એટલે કોની ભૂલ છે ? જગત આખું નિર્દોષ છે ને ! નિર્જરા એ અંતિમ સ્વરૂપ વિસર્જનનું (૧) જો તમારામાં કોઈ દોષ નથી, તો 'વર્લ્ડમાં કોઈ તમારું નામ લેનાર છે નહીં' એની ગેરેન્ટી લખી આપું. (૨) અને જો નામ લે છે તો 'તમારો દોષ છે' એવું તમારે માનીને એ જમે કરી દેવું. ફરી ધીરવું નહીં આપણે. બે ગાળો ભાંડી ગયો અને પછી ફરી પાંચ ધીરીએ, તો ફરી પાછા આવશે, એનાં કરતાં આપણે એની જોડે વ્યાપાર જ બંધ. ફરી (આપે તે) ના ગમતું હોય તો બે ગાળ જમે કરી દેવાની. (૩) હિસાબ વગર કોઈ વસ્તુ તમારે ઘેર નહીં આવે. ઈફેક્ટ છે, વિસર્જન છે. માટે હિસાબથી આવી છે. પ્રશ્નકર્તા : આ જે ગાળો પાછી આવી હતી, એ જમા ન કરી અને સામે પાછી આપી એટલે બંધ પડ્યોને પાછો ? સર્જન થયું ને ? વિસર્જન થતું હતું એમાં સર્જન કર્યું. દાદાશ્રી : હા, એટલે જે હિસાબ હતો એ ચૂકતે કરી ને ફરી પાછો નવો હિસાબ શરૂ કર્યો. એટલે બંધ પડ્યો ફરી. જો બંધ અટકે તો પછી નિર્જરા થયા જ કરે. (૪) નિર્જરા જીવમાત્રની થયા જ કરે છે. એ નિર્જરા ટાઈમ જ કરી રહી છે, એ નિરંતર નિર્જરા જ કરે દરેક વસ્તુની. પ્રશ્નકર્તા : એ જે આપ શક્તિ કહો છો કે જે શક્તિ કરી રહી છે, એ જ નિર્જરા શક્તિ છે ને ? (પા.૧૯) દાદાશ્રી : ના, નિર્જરા એ શક્તિ નથી. નિર્જરા થયા કરે છે એ (૫) નિર્જરા એ તો એની અવસ્થા છે. પણ જે કરી રહી છે શક્તિ, એ વિસર્જન શક્તિ છે, વિસર્જન કરનારી. આ તમે જે સર્જન કરેલું છે, એને વિસર્જન કરવાની શક્તિ. (૬) સર્જન તમારું ખરેખર સ્વતંત્ર નથી, તમે નૈમિત્તિક રીતે સર્જનકર્તા છો. એટલે (૭) તમે સર્જન કર્યું, એ કર્મ છે, તે કોઝિઝ કહેવાય છે, તે (કુદરતના) કોમ્પ્યુટરના ફીડમાં જાય અને પછી વિસર્જન થઈને નીકળે બહાર. વિસર્જન તમારા હાથમાં નથી. પ્રશ્નકર્તા : પણ એ વિસર્જન એ જ નિર્જરા ને ? નિર્જરા એ જ વિસર્જન ને ? દાદાશ્રી : નિર્જરા એ વિસર્જનનું છેલ્લું સ્વરૂપ છે. (૮) આ તો વિસર્જન કરાવનારી શક્તિ. એનો ટાઈમીંગ ભેગો થાય, સ્પેસ ભેગી થાય એટલે એ શક્તિનું કાર્ય શરૂ થઈ જાય વિસર્જન કરવાનું. અને પછી એનું જે પરિણામ આવ્યું એ નિર્જરા કહેવાય. ગર્વ, સ્વપ્રશંસા વખતે જાગૃતિ આ 'ચંદુભાઈ' જે કરે, એ 'આપણે' (આત્માએ) જોયા કરવાનું. 'ચંદુભાઈ' ગર્વરસ ચાખે છે તેય જોયા કરવાનું અને સ્વપ્રશંસા સાંભળવામાં ખુશ થાય છે તેય જોયા કરવાનું. (૧) આમાં વધુ ગર્વરસ ચાખે છે એ બધુંય આપણે જોયા કરવું. અને પછી જરા કહેવું યે ખરું, 'ચંદુભાઈ, શું કરવા હજુ આવું આ ચાખો છો ? જરા પાંસરા ચાલો ને !' પ્રશ્નકર્તા : મીઠાશ લાગે પણ એ ગર્વરસ ના લેવાય, એના માટે શું કરવું ? દાદાશ્રી : કરવાનું કશું નહીં. આપણું જ્ઞાન જાણવાનું. (૨) ગર્વરસને ચાખનારા 'આપણે' ન્હોય ! 'આપણે' કોણ છીએ, એનું લક્ષ રાખવું પડે. એમાં કશું કરવાનું હોતું નથી ને ! (૩) આપણું 'જ્ઞાન' જ એવું છે કે ગર્વરસ ચખાય નહીં અને ચખાય તો તરત પ્રતિક્રમણ કરે. વખતે કંઈક ચોંટ્યું, પહેલાંના અભ્યાસથી વૃત્તિઓ એ બાજુ વળી ગઈ હોય, તો તરત ઊખાડી નાખે. એટલે (૪) ગર્વરસ આપણા 'જ્ઞાન' લીધેલા 'મહાત્માઓ' ચાખે નહીં. બીજા બધા લોકો ગર્વરસ ચાખે. કારણ કે રસ્તો જડ્યો નથી ને ! 'પોઈન્ટમેન', મોક્ષમાર્ગમાં... (૧) 'મેઈન લાઈન' ઉપર ગાડી જાય તો લૂંટાય નહીં. પાટો બદલાય કે લૂંટાઈ જાય. લૂંટાય ને પાછો કયે ગામ લઈ જાય તેનું ઠેકાણું નહીં. (૨) એટલે 'પોઈન્ટમેન' ઉપર જરાય વિશ્વાસ ન કરવો જોઈએ. એની જોડે ચા-પાણી શરૂ કરીએ તો પછી આવી ગાડી પાટો બદલી નાખે ને ! પ્રશ્નકર્તા : આ મોક્ષમાર્ગમાં 'પોઈન્ટમેન' કોને કહેવાય ? દાદાશ્રી :(૩) આપણને ગમતું બોલે તે 'પોઈન્ટમેન'. આપણને બોલે અને આપણને ફેર ચઢે તો જાણવું કે આ 'પોઈન્ટમેન' આવ્યા ! ગમતું બોલે એટલે મન ફરી ભમી જાય. એટલે 'પોઈન્ટમેન' છે, તે બીજે પાટે ચઢાવી દે ગાડી, એટલી જ 'સ્પીડ'થી ! છતાં (૪) બીજે પાટે જાય તે ખબરેય ના પડે કે હું બીજે પાટે છું. પછી કોઈ કહે, ''અરે, આ 'રોંગ વે' પર ક્યાં આવ્યા ?'' ત્યારે કહેશે, ''અમારું 'રોંગ વે' હોય નહીં કોઈ દહાડો !'' એવું કહે. પ્રશ્નકર્તા : એથી સતત જ્ઞાનીનો આશરો રાખવાનું કહ્યું ને ? દાદાશ્રી : ત્યારે તેથી જ કહ્યુંને, નહીં તો (૫) વાત વાતમાં 'પોઈન્ટમેન' મળી આવશે અને ગાડીનો પાટો ફેરવી નાખે, હડહડાટ ! (પા.૨૦) ચેતીને ચાલો મોક્ષમાર્ગમાં (૧) મનમાં પોતાની મેળે 'લેવલ' કાઢવું નહીં, નહીં તો માણસ અટકી જાય. પોતાની મેળે 'લેવલ' કાઢવું નહીં, (૨) બીજા કાઢી આપે તો જ કામનું. પ્રશ્નકર્તા : એ મનમાં 'લેવલ' કઈ બાબતનું ? દાદાશ્રી : આ આમાં જ, (૩) આ મોક્ષમાર્ગમાં દરેક પોતે પોતાનું 'લેવલ' કાઢીને બેઠો હોય. અને તે સાવ ખોટું હોય, એમાં અક્ષરેય સાચો ના હોય. અને (૪) 'લેવલ' માનીને બેસે તો અટકી જાય ત્યાં માણસ. હજી તો ગાડીઓ પાટા પરથી ખસી જતાં વાર નહીં લાગે. (૫) આટલી બધી નબળાઈઓમાં આ પૂર્ણતાએ લાવવું, એટલે બધું સમજવું પડશે. પહેલું તો કપટ જ જવું જોઈએ. (૬) આ તો જે આપણું નહીં, ત્યાં જ બધી શક્તિ વપરાઈ જાય છે. પ્રશ્નકર્તા : અને કપટથી એને જ પાછું ઢાંકવાનું ! દાદાશ્રી : હા, એને જ ઢાંકવાનું. (૭) અપના કુછ નહીં, તોય એનો પક્ષ કરે. અલ્યા, નક્કી કર્યું કે અપના કુછ નહીં, તોય એનો પક્ષ કર્યો ? ત્યારે એ કહે છે, 'ભૂલી ગયો.' પ્રશ્નકર્તા : એ ભૂલી જાય છે કે પક્ષ હજુ એટલો છૂટ્યો નથી ? દાદાશ્રી : પક્ષ છૂટ્યો નથી. એ તો ભૂલી ગયો એમ બોલે, તત્પૂરતું પણ પક્ષ છૂટે નહીં ને ! (૮) એટલે ચેતો, બધી રીતે ચેતો, બહુ ચેતવાનું છે. અપૂજ્યના પૂજાપામાં પતન (૧) પૂજાવાની કામના ઊભી થાય છે ખરી ? કહેજો, હું દબાવી આપીશ. હા, (૨) એ મૂળિયું કાપી નાખીએ એટલે પછી બંધ થઈ જાય. (૩) એ કામના બહુ જોખમ છે. કામના ઊભી થતી નથી ને ? કો'ક દહાડો ઊભી થવા ફરશે, હં કે ! માટે જોખમ છે એવું માનીને ચાલજો. કારણ કે (૪) લોકો જે' જે' કરે ને, એટલે ચાની પેઠ ટેવ પડી જાય. પછી જ્યારે ના મળે ને, ત્યારે મૂંઝાય. (૫) ત્યાર પછી બનાવટ કરીનેય પણ જે' જે' કરાવડાવે. એટલે જોખમ છે, ચેતતા રહેજો. (૬) શેની ભીખ છે ? પૂજાવાની ભીખ. અને (૭) આમ જે' જે' કરે એટલે ખુશ. (૮) અલ્યા, આ તો નર્કે જવાની નિશાનીઓ ! (૯) આ તો બહુ જ જોખમદારી. એવી ટેવ પડેલી હોય, તે જાય નહીં. પ્રશ્નકર્તા : પોતાને પૂજાવાની કામના છે કે નહીં, એની પોતાને કેવી રીતે ખબર પડે ? દાદાશ્રી :(૧૦) બધુંય પોતાને ખબર પડે. એને શું ભાવે છે તે ખબર પડે. આઈસક્રીમ ભાવે છે એ નથી ખબર પડતી ? (૧૧) મહીં આત્મા થર્મોમિટર છે, તે બધું ખબર પડે. (૧૨) આજના જીવો લાલચુ બહુ છે. તે (૧૩) પોતાનું જ ઊભું કરે છે બધે ઠેર ઠેર, પૂજાવાનું બધું ઊભું કરે છે. અને (૧૪) પૂજાવાવાળા પછી નવું ધારણ કરી શકતા નથી, સાચી વાત. જ્યાં ને ત્યાં લોકો દુકાન માંડીને બેસી ગયા. અને (૧૫) પૂજાવાની કામના અંદર ભરાઈ રહેલી હોય કે કેમ કરીને મને જે' જે' કરે. તો એને ગલગલિયાં થાય. જે' જે' કરે એટલે ગલગલિયાં થાય, એવી મઝા (!) આવે ખરેખરી ! (૧૬) ઊંધો રસ્તો છે એ બધો. પૂજાવાની કામના, (૧૭) એના જેવો ભયંકર કોઈ રોગ નથી. મોટામાં મોટો રોગ હોય તો પૂજાવાની કામના ! (૧૮) કોને પૂજવાનો હોય ? આત્મા તો પૂજ્ય જ હોય. દેહને પૂજવાનો રહ્યો જ ક્યાં પછી ? પણ પૂજાવાની ઇચ્છાઓ-લાલચો છે આ બધી. દેહને પૂજાવીને શું કાઢવાનું ? (પા.૨૧) (૧૯) જે દેહને બાળી મેલવાનો, એને પૂજાવીને શું કાઢવાનું ? (૨૦) પણ એ લાલચ એવી કે 'મને પૂજે'. એટલે આ પૂજાવાની લાલસાઓ છે. (૨૧) નહીં તો મોક્ષ કંઈ અઘરો નથી. આ દાનતો હોય છે ને, તે અઘરી છે. (૨૨) એવી ઇચ્છા થાય તોય ભયંકર ગુનો છે. એવી ઇચ્છા કોઈ દહાડો થયેલી ? થોડી મહીં ગલીપચી થાય ? (૨૩) આ તો અમે ચેતવીએ. ના ચેતવીએ તો પછી પડી જાય ને ! સારી જગ્યા પર આવ્યા પછી પડી જાય તો પછી નકામો થાય, 'યુઝલેસ' થાય અને વાગેય બહુ. (૨૪) નીચે હોય ને પડે તો વાગે નહીં બહુ. (૨૫) બહુ ઊંચે દોડ્યો હોય ઉપર, તે પડે તો વાગે બહુ. એટલે જ્યાં છો ત્યાં રહેજો, નીચે ના ઉતરશો પાછાં. ને સ્વતંત્ર (પોતાનો) શબ્દ કશું લાવશો નહીં. અહીંથી લઈ જઈને તે જ શબ્દ વાપરજો; સ્વતંત્ર નવો મૂકશો નહીં. નવું સ્ટેશનેય બાંધશો નહીં. કે બાંધ્યું છે ? પાયા ખોદ્યા નથી ? નથી બાંધ્યું ? ચેતવણી તો હોવી જોઈએ ને ! નહીં તો ક્યાંય જઈને ઊભાં રહેશો ! (૨૬) હજુ તો માર્ગ બહુ જુદી જાતનો છે આ. અને કેટલી બધી આમ લોભામણી જગ્યાઓ આવે છે ! કોઈ દહાડો જોઈ ના હોય એવી લોભામણી જગ્યાઓ આવે છે. તે મોટા મોટા છેતરાયા ત્યાં તમારું શું ગજું ? (૨૭) એટલે આ 'દાદા ભગવાન'ના માર્ગથી ચાલો બરાબર. હેય ! 'ક્લિયર રોડ ફર્સ્ટ કલાસ' !! જોખમ નહીં, કશું નહીં ! મોક્ષમાર્ગના ભયસ્થાનો (૧) માટે મોક્ષમાર્ગને બાધક આવ્યું એટલે છોડી દેવાનું અને ચાલો પાછા. એ ધ્યેય પર કહેવાય ને ! પોતાનો ધ્યેય ચૂકે નહીં, (૨) ગમે તેવાં કઠણ પ્રસંગોમાં પણ પોતાનો ધ્યેય ચૂકે નહીં એવું હોવું જોઈએ. (૩) તમારે ધ્યેય પ્રમાણે કોઈ દહાડો ચાલે કે ? (૪) અવળું નહીં કશું ? એ તો સહજ થઈ ગયેલું, નહીં ? પ્રશ્નકર્તા : એટલે મહીં 'હેન્ડલ' મારવાનું ચાલુ રાખવું પડે. દાદાશ્રી :(૫) ચાલુ રાખવું પડે પણ એ મહીંવાળા માને ખરાં ? તરત જ ? પ્રશ્નકર્તા : તરત જ. દાદાશ્રી :(૬) તરત ? વાર જ નહીં ? એ સારું. (૭) જેટલું માને એટલું છૂટા થયાની નિશાની. એટલા એનાથી આપણે છૂટા જ છીએ એ નિશાની. પોતાને લાંચ કશી છે નહીં. લાંચ હોય ત્યારે એ વાત માને નહીં. (૮) એની પાસે 'પોતે' લાંચ ખાતો હોય તો એ આપણી વાત માને નહીં પછી. 'પોતે' સ્વાદ લઈ આવે, પછી 'પેલા' ના માને. આ વ્યવહાર તો પેલી બાજુ જ લઈ જાય ને ! અનાદિથી એક આરાધેલો માર્ગ એ જ ને !! (૯) વ્યવહાર તો હંમેશાં એ બાજુનો ટેવાયેલો જ હોય ને ! એટલે એ બાજુ જાય તોય આપણે આપણા ધ્યેય પ્રમાણે હાંકવાનું. બળદ તો જૂનો રસ્તો દેખે તો એ રસ્તે જ ચાલ્યા કરે. આપણે હવે આપણા રસ્તે ધ્યેય પ્રમાણે જવાનું. આ રસ્તે નહીં, આ બીજે રસ્તે (ધ્યેય તરફ) જવાનું. 'આમ હેંડ' કહીએ. એટલે પોતે લાંચ ના લે તો પેલાં કહ્યા પ્રમાણે તરત જ ફરે. પણ (૧૦) લાંચ લે તો એ પછી માર ખવડાવે, બધી બાબતમાં માર ખવડાવે. એટલે ધ્યેયમાં પાછું નહીં પડવું જોઈએ. પ્રશ્નકર્તા : એ લાંચ કેવી હોય ? દાદાશ્રી :(૧૧) ચાખી આવે. અને ચાખતી વખતે પાછું મીઠું લાગ્યું હોય ને, તે બેસે ત્યાં આગળ. 'ટેસ્ટ' કરી આવ્યો એટલે પછી ફરી થોડુંક એકાદ-બે બોટલ પી આવે. આ બધી ચોર દાનત કહેવાય. (૧૨) ધ્યેય પર જવું છે એ અને ચોર દાનત, એ બે સાથે કેમ કરીને રહી (પા.૨૨) શકે ? (૧૩) દાનત ચોક્કસ રાખવી જોઈએ, કોઈ પણ લાંચ-રુશ્વત સિવાય. આ તો એ મસ્તી ચાખવાની ટેવ હોય છે, એટલે આમ ત્યાં બેસીને જરા એ મસ્તીના આનંદમાં રહે. પ્રશ્નકર્તા : એટલે પ્રકૃતિની મસ્તી ? દાદાશ્રી : ત્યારે બીજી શી ? એ એમાં જ ટેવાયેલો છે ને ! એટલે 'આપણે' કહીએ કે, 'ના, અમારે તો હવે આમ (મોક્ષ ભણી) જવાનું છે. મારે મસ્તી નથી જોઈતી. અમારા ધ્યેય પ્રમાણે ચાલવાનું છે.' (૧૪) આ પ્રકૃતિની મસ્તીઓ તો ભૂલભૂલામણીમાં લઈ જાય. (૧૪) ધ્યેય તોડાવડાવે એ આપણા દુશ્મન. આપણો ધ્યેય નુકસાન કરાવે એ કેમ પોષાય ? નહીં તો બ્રહ્મચર્ય પાળવું હોય અને અબ્રહ્મચર્યનાં વિચાર કરવા એના જેવું થાય. (૧૫) વિચારમાં મીઠાશ તો આવે પણ શું થાય ? એ ભયંકર ગુનો છે ને ! પછી પોતાનાં ધ્યેયમાં 'ટી.બી.' જ થાય ને ! સડો જ પેસવા માંડે ને !! અહીં તો પોતાનું મન એટલું મજબૂત કરી લેવાનું છે ને, કે (૧૬) આ ભવમાં જે થાય, ભલે દેહ જાય, પણ આ ભવમાં કંઈક (મોક્ષ માટેનું) 'કામ' કરી લઉં એવું નક્કી કરી રાખવું જોઈએ. એટલે એની મેળે કામ થશે જ. આપણે આપણું નક્કી કરી રાખવું જોઈએ. આપણી ઢીલાશ ના રાખવી. (૧૭) આવું પ્રાપ્ત હોય ત્યારે ઢીલાશ ના રાખવી. પછી જે થાય તે ખરું. એની એવી ભાંજગડ નહીં રાખવાની ને ના થયું એની યે બહુ ભાંજગડ નહીં રાખવાની. એ તો બધું મળી આવે. (૧૮) પોતાની પાસે અધિકાર શો છે ? ભાવ. કે આટલું મારે કરી લેવું છે. નિશ્ચય, એ પોતાનો અધિકાર વાપરવો. (૧૯) અને બીજો બહારનો રોગ પેસી ના જાય કે 'લાવ, હું પાંચ જણને સત્સંગ સંભળાવું કે એવું તેવું.' એની કાળજી રાખવાની. નહીં તો એય પાછા બીજા નવી જાતના રોગ પેસી જાય અને કંઈનું કંઈ રસ્તે ચઢી જાય, તો પછી શું થાય ? કોઈ બચાવનાર મળે નહીં. માટે (૨૦) આપણે મોક્ષે જવું હોય તો આ 'વાત કરવા'માં પડશો નહીં. કશું પૂછે તો કહેવું કે 'હું ના જાણું.' આ તો અમે આ ભયસ્થાનો બધાં બતાડી દઈએ. ભયસ્થાનો ના બતાવીએ ને, તો ઊંધું થઈ જાય. આ બધા પુણ્યશાળી હોય છે ને, તે આ વાતેય પ્રગટ થઈ ને ! નહીં તો વાત શી રીતે ખબર પડે ? ને હું આમાં ક્યાં ઊંડો ઊતરવા જાઉં ? આ તો વાત નીકળી ત્યારે નીકળી, નહીં તો કોણ જાણતું હતું કે આવું બધું ચાલતું હશે ! લઘુતમ અહંકારથી મોક્ષ તરફ (૧) જગતના શિષ્ય થવાની દ્રષ્ટિ વેદી નથી, તે જગતમાં 'મહાવીર' થઈ શકે નહીં. લઘુતમ ભાવમાં રહેવું અને અભેદ દ્રષ્ટિ રાખવી એ આ અક્રમ વિજ્ઞાનનું 'ફાઉન્ડેશન' છે. 'આ' વિજ્ઞાનનું 'ફાઉન્ડેશન' શું ? (૨) લઘુતમ ભાવમાં રહેવું અને અભેદ દ્રષ્ટિ રાખવી. જીવમાત્રની જોડે, આખા બ્રહ્માંડના જીવો સાથે અભેદ દ્રષ્ટિ રાખવી એ જ આ વિજ્ઞાનનું 'ફાઉન્ડેશન' છે. પ્રશ્નકર્તા : એ લઘુતમનો અર્થ કેવી રીતે કર્યો ? જે આપણો અહંકાર છે એ અહંકાર ઝીરો ડિગ્રી પર આવે એ લઘુતમ છે ? દાદાશ્રી : નહીં. (૩) અહંકાર તો એમનો એમ જ છે. (૪) પણ અહંકારની માન્યતા એવી થાય છે કે હું બધાથી નાનો છું અને (૫) એ પણ એક જાતનો અહંકાર જ છે. એવું છે, આ (૬) લઘુનો અર્થ 'નાનો છું' થયો. (૭) પછી લઘુતર એટલે કે નાનાથીયે હું નાનો છું. અને (૮) લઘુતમ એટલે મારાથી બધા જ મોટા છે (પા.૨૩) એવો અહંકાર. એટલે એ પણ એક જાતનો અહંકાર છે ! (૯) હવે જે ગુરુતમ અહંકાર છે, એટલે કે મોટા થવાની ભાવનાઓ, હું આ બધાથી મોટો છું એવી માન્યતાઓ છે, એનાથી આ સંસાર ઊભો થયો છે. જ્યારે લઘુતમ અહંકારથી મોક્ષ તરફ જવાય. (૧૦) લઘુતમ અહંકાર એટલે 'હું તો આ બધાથી નાનો છું' એમ કરીને વ્યવહાર બધો ચલાવવો. એનાથી મોક્ષ તરફ ચાલ્યો જાય. (૧૧) 'હું મોટો છું' એવું માને છે તેથી આ જગત 'રેસકોર્સ'માં ઊતરે છે અને એ બધા ભાન ભૂલીને અવળે રસ્તે જઈ રહ્યા છે. (૧૨) જો લઘુતમનો અહંકાર હોયને, તે લઘુ થતો થતો એકદમ લઘુતમ થઈ જાય. એટલે એ પરમાત્મા થઈ જાય ! ત્યાં થઈ ગયો અહંકારશૂન્ય આ તો (૧) અમારી કેટલાય અવતારની સાધના હશે, તે એકદમ ફળ આવીને ઊભું રહ્યું ! બાકી, આ ભવમાં તો કશું આવડ્યું જ નથી. (૨) આવડત તો મેં કોઈ માણસમાં જોઈ જ નથી. આ મોચી છે, એને ઓછું આવડતું હોય, તે જોડા બનાવે. પણ બાર મહિને ખોટ ને ખોટ જ લાવે. તેવું (૩) આ કાળના જીવો ખોટ ને ખોટ જ લાવે. જરા આવડતવાળા હોય તે નફા કરતાં ખોટ વધારે લાવે. મહેનત કરી અને નકામી ખોટ ગઈ. એટલે મૂળ વેપારમાં ખોટ આવે. (૪) આ સંસારી જે નફો આવે છે, નુકસાન થાય છે, તે તો પુણ્યના આધીન છે. તેમાં આ લોકો શું કમાવાના હતાં ? એ તો પુણ્યની કમાણી છે ! તે આ અક્કલના ઇસ્કોતરા જોડા જ ઘસ્યા કરે છે ! એટલે (૫) આપણે તો શૂન્ય જ, કશું આવડતું જ નહોતું એમ માનીને ચાલોને ! (૬) મને તો ભાષણ કરતાંય આવડતું નથી. આ 'જ્ઞાન' છે એટલું જ આવડે, બીજું કશું આવડે નહીં આ જગતમાં. અને બીજું કશું ના આવડ્યું તેથી તો આ આવડ્યું ! અને ક્યાંય શીખવા પણ નથી ગયો. નહીં તો જે ને તે ગુરુ થઈ બેસે. એના કરતાં આમાં 'એકસ્પર્ટ' તો થઈ જઈએ, નિર્લેપ તો થઈ જઈએ ! (૭) મને તો સંસારની યે બાબત કશી આવડતી નથી અને સ્કૂલમાંય નહોતું આવડતું. આ એકલું આવડતું હતું કે ઉપરી ના જોઈએ. એ જ ભાંજગડ બહુ લાગી. માથે ઉપરી ના જોઈએ ! પછી ગમે તે ખાવા-પીવાનું હોય, તેની હરકત નથી પણ માથે ઉપરી ના જોઈએ. (૮) આ દેહ છે, તે દેહ એનું 'એડજસ્ટમેન્ટ' લઈને જ આવ્યો છે. હવે આ 'જ્ઞાન' એવું છે ને, તે બધું જ કામ કરે. બાકી, (૯) અમને સંસારનું કશું જ આવડતું નથી. પણ તોય પાછું કામ સરસ ચાલ્યા કરે, બધાંય કરતાં સરસ ચાલ્યા કરે. બધાને તો બૂમો પાડવી પડે છે. (૧૦) મારે તો બૂમોય પાડવી નથી પડતી છતાંય બધી આવડત કરતાં સારું કામ થાય છે. કારણ કે ભગવાને શું કહ્યું છે કે (૧૧) જેને કંઈ પણ આવડે છે તે જ્ઞાન અહંકારના આધારે રહ્યું છે. (૧૨) જેને આવડતું નથી તેને અહંકાર જ નથી ને ! અહંકાર હોય તો આવડ્યા વગર રહે નહીંને ! મને તો આ એકલું જ આવડે છે. છતાંય લોકોના મનમાં ભ્રમણા છે કે દાદા બધું જાણે ! પણ શું જાણે છે તે ? કશુંય જાણતા નથી. (૧૩) 'હું' તો 'આત્મા'ની વાત જાણું છું, 'આત્મા' જ્ઞાતા-દ્રષ્ટા છે તે જાણું છું, 'આત્મા' જે જે જોઈ શકે છે એ 'હું' જોઈ શકું છું પણ બીજું આવડતું નથી. (૧૪) અહંકાર હોય તો આવડેને ! અહંકાર બિલકુલેય નિર્મૂળ થઈ ગયો છે. જેનું મૂળિયું પણ નથી રહ્યું ! કે આ જગ્યાએ હતો ને, તે જગ્યાએ એની કોઈ સુગંધી યે ના આવે, એટલા બધાં મૂળિયાં નીકળી ગયાં. ત્યાર પછી એ પદ કેવું મજાનું હશે ! - જય સચ્ચિદાનંદ |