કઈ દ્રષ્ટિએ જ્ઞાનીએ ભાળ્યું જગત નિર્દોષ ! સંપાદકીય સંયોગો અને આત્મા બે જ વસ્તુ છે. જો પોતે આત્મભાવમાં રહે તો પછી રહ્યું શું ? સંયોગો જ ને ? અને સંયોગો તો પર ને પરાધીન છે, નિકાલી છે, ડિસ્ચાર્જ છે. પણ ઘણા બધા સંયોગોમાં બુદ્ધિના પ્રાધાન્યપણાને લીધે આ હકીકત વિસ્મૃત થઈ જતી હોય છે. પરિણામે સર્જાય છે પ્રશ્નોની પરંપરા કે મારા જીવનમાં આવું શાથી બન્યું ? કેમ બન્યું ? મારો કોઈ ગુનો નથી, વાંક નથી, હું નિર્દોષ છું છતાં લક્ષ્મી, સત્તા કે પછી બુદ્ધિના જોરે બીજી વ્યક્તિઓ...મારી જોડે આવો વ્યવહાર શા માટે કરે છે ? એમ જીવનમાં અનેક વ્યવહારિક કે વ્યક્તિગત પ્રશ્નો ઉદ્ભવતા હોય છે અને સાચી વાતને નહીં સમજાવાથી સમાધાન થતું નથી તેથી બીજાને ગુનેગાર જુએ છે. પોતાના અહંકાર અને બુદ્ધિને પ્રાધાન્ય આપી બીજા ઉપર દોષારોપણ કરી આખરે તો અહંકારને જ પોષે છે. છતાંય અંદરની બળતરાઓ બંધ થતી જ નથી અને કષાયોની ભીંસ અનુભવી, અભિપ્રાયોમાં અટવાઈ જઈ જીવનમાંથી સાચા આનંદની અનુભૂતિથી અલિપ્ત રહી જાય છે. પ્રતિકુળ સંજોગો તો દરેકના જીવનમાં આવતા જ હોય છે. મહાવીર ભગવાને કાનમાં બરૂ ખોસનારને પણ નિર્દોષ જોયો, તો ભગવાન પાસે એવી કેવી દ્રષ્ટિ હશે જેથી કરીને ભયંકર દ્વેષ થઈ શકે તેવા પ્રસંગમાં વીતરાગ રહી શક્યા હશે ? ભગવાન પાસે જ્ઞાન (તત્ત્વ) દ્રષ્ટિ હતી અને એ જ્ઞાનના આધારે ભગવાન તારણ કાઢી શક્યા કે આ સંયોગ મારા જ કર્મનો ઉદય છે, સામી વ્યક્તિ શુદ્ધાત્મા છે, પુદ્ગલ-પુદ્ગલનો હિસાબ ચૂકવાઈ રહ્યો છે, જે આ કર્મ કરી રહ્યો છે તે પોતે એનો કર્તા નથી પણ નિમિત્ત માત્ર છે, મારા જ કર્મના ઉદયે આ સંયોગ આવેલો છે અને આ ઉદયનો મારે સમભાવે નિકાલ કરવાનો છે. કેવી અદ્ભૂત નિર્દોષ દ્રષ્ટિ કહેવાય ? ભગવાનનું જ્ઞાન એજ કહે છે કે આ જગત આપણું જ પ્રોજેક્શન છે. આપણા જ કોઝની ઈફેક્ટ સામી વ્યક્તિ દ્વારા ઉદયમાં આવી રહી છે તેમાં તે વ્યક્તિ શું કરે ? એવું ના હોઈ શકે કે તે વ્યક્તિની ઈચ્છા ના હોય છતાં તેને પરાણે તેવો વ્યવહાર કરવો પડતો હોય ? તો પછી તેવી નિર્દોષ વ્યક્તિને દોષિત જોઈ કે દોષિત ઠરાવી આપણે શું સુખ મેળવી શકવાના છીએ ? બુદ્ધિ હંમેશા બીજાને દોષિત ઠરાવે પણ જ્ઞાન તો નિર્દોષ જ ઠરાવે છે કે આ આપણી જ ભૂલોના દંડ છે. જો મોક્ષે જવું હોય, જગતથી છૂટવું હોય, તો બુદ્ધિનું ના સાંભળતા પ્રજ્ઞાનું કહ્યું સાંભળી, અભિપ્રાયોથી મુક્ત રહી, અપમાનકર્તાને ઉપકારી માની, નિર્દોષ દ્રષ્ટિ કેળવવી જ પડશે ! એવી નિર્દોષ દ્રષ્ટિ કેવી રીતે કેળવાય તેના પુરાવા (સમજ માટે નંબર આપી અન્ડરલાઈન કરેલ છે) આત્મજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાનની જ્ઞાન સરવાણીમાંથી ઉપલબ્ધ થાય છે. તેનો ઊંડાણથી તત્ત્વદ્રષ્ટિથી અભ્યાસ કરીશું તો જરૂરથી નિર્દોષ દ્રષ્ટિ કેળવી પ્રગતિના સોપાન સર કરવામાં આપણને સહાયભૂત થશે જ ! દીપક દેસાઈ કઈ દ્રષ્ટિએ જ્ઞાનીએ ભાળ્યું જગત નિર્દોષ ! ભગવાને ભાળ્યું જગ નિર્દોષ પ્રશ્નકર્તા : ભગવાન મહાવીરે આખા જગતને કઈ દ્રષ્ટિથી નિર્દોષ જોયું ? દાદાશ્રી : ભગવાને નિર્દોષ જોયું અને પોતાની નિર્દોષ દ્રષ્ટિથી નિર્દોષ જોયું. એમને કોઈ દોષિત ન લાગ્યો. એવું મેં પણ નિર્દોષ જોયું છે અને મને પણ કોઈ દોષિત દેખાતો નથી. ૧ ફૂલહાર ચઢાવે તોય કોઈ દોષિત નથી ને ગાળો ભાંડે તોય કોઈ દોષિત નથી. આ તો ૨ માયાવી દ્રષ્ટિને લઈને બધા દોષિત દેખાય છે. આમાં ખાલી દ્રષ્ટિનો જ દોષ છે. પ્રશ્નકર્તા : એવી આપના જેવી નિર્દોષતા કેવી રીતે પ્રાપ્ત થાય ? દાદાશ્રી : આખા જગતને નિર્દોષ જોઈએ ત્યારે ! મેં આખા જગતને નિર્દોષ જોયું છે, ત્યારે હું નિર્દોષ થયો છું. ૩ હિત કરનારને અને અહિત કરનારનેય અમે નિર્દોષ જોઈએ. ૪ જગતમાં કોઈ દોષિત નથી. ૫ એણે દોષ કર્યો હોય, તોય ખરી રીતે એના આગલા અવતારે કર્યો હોય. પણ પછી તો ૬ એની ઇચ્છા ના હોય છતાં અત્યારે થઈ જાય. અત્યારે એની ઇચ્છા વગર થઈ જાય છે ને ? ૭ ભરેલો માલ છે. એટલે એમાં એનો દોષ નહીંને ! એટલે નિર્દોષ ગણ્યો. જગત નિર્દોષ, પુરાવા સહિત આપણે જગત આખું નિર્દોષ જોઈએ છીએ. આપણે જગત નિર્દોષ માનેલું છે. એ ૧ માનેલું કંઈ ઓછું ફેરફાર થઈ જવાનું છે ? ઘડીમાં ફેરફાર થઈ જાય ? ૨ આપણે નિર્દોષ માનેલું છે, જાણેલું છે, એ કંઈ ઓછું દોષિત લાગવાનું ?! કારણ કે ૩ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. હું એક્ઝેક્ટલી (જેમ છે તેમ) કહી દઉં છું. બુદ્ધિથી પ્રુફ (પુરાવા) આપવા તૈયાર છું. આ બુદ્ધિશાળી જગતને, આ જે બુદ્ધિનો ફેલાવો થયેલો છે, એમને પ્રુફ જોઈતું હોય તો હું આપવા માગું છું. પુરાવા હું આપવા લોકોને તૈયાર છું. હું પુરાવો સો ટકા આપવા તૈયાર છું. એ પોતે જ કહે કે 'એ કમ્પ્લિટ પુરાવો છે આ !' નિર્દોષ દ્રષ્ટિ ત્યાં જગત નિર્દોષ અમને સહુ નિર્દોષ જ દેખાય. કારણ અમે જાતે નિર્દોષ દ્રષ્ટિ કરીને આખાય જગતને નિર્દોષ જોઈએ છીએ. ૧ તાત્ત્વિક દ્રષ્ટિએ જોઈએ તો દોષ કોઈનોય નથી. પ્રશ્નકર્તા : 'રિલેટિવ' તો દેખીતું દોષિત દેખાયને ? દાદાશ્રી : ૨ દોષિત ક્યારે ગણાય ? એનો શુદ્ધાત્મા એવું કરતો હોય ત્યારે. પણ ૩ શુદ્ધાત્મા તો અકર્તા છે. એ કશુંય કરી શકે તેમ નથી. ૪ આ તો 'ડિસ્ચાર્જ' થાય છે, એમાં તું એને દોષિત ગણે છે. ૫ જ્યાં સુધી જગતમાં કોઇ પણ જીવ દોષિત દેખાય છે ત્યાં સુધી સમજવું કે અંદર શુદ્ધિકરણ થયું નથી, ત્યાં સુધી ઇન્દ્રિયજ્ઞાન છે. એક રકમ આપ ધારશો ? સ્કુલમાં ભણતી વખતે માસ્તરો એરિથમેટીક (અંકગણિત)માં શીખવાડે છે ને , કે કંઈ ના ફાવે તો સપોઝ (ધારો કે) ૧૦૦ એવું કહે છે ને ? નથી કહેતા, ૧૦૦ ધારો તો જવાબ આવશે. ત્યારે વળી આપણા મનમાં એમ થાય છે કે માસ્તરે ૧૦૦ ઉપર કંઈ જાદુ કર્યો લાગે છે. તો આપણે કહીએ કે ના, હું તો સવાસો ધારું. ત્યારે કહે, તારે ધારવા હોય તો ધારને ! એવી ધારણાથી જવાબ આવે એવો છે. એવી એક રકમ હું તમને ધારવાની કહું આ જગતમાં કોઈ દોષિત જ નથી. જગત આખુંય નિર્દોષ છે. તમને દોષ દેખાય છે ? પ્રશ્નકર્તા : જોઈએ તો દેખાય. દાદાશ્રી : ૧ ખરેખર દોષ છે નહીં. છતાં દોષ દેખાય છે, એ જ આપણી અણસમજણ છે. લોકોના કિંચિત્માત્ર દોષ દેખાય છે એ આપણી અણસમજણ છે. આ રકમ ધારે અને એ રકમ ધારીને જવાબ લાવે તો જવાબ આવી જાય એવો છે. ૨ કોઈ દોષિત છે જ નહીં જગતમાં. ૩ તમારા દોષથી જ તમને બંધન છે. ૪ બીજા કોઈના દોષ છે જ નહીં. ૫ કોઈ તમારું નુકસાન કરે, કોઈ ગાળો ભાંડે, ઈન્સલ્ટ (અપમાન) કરે તો એનો દોષ નથી, દોષ તમારો જ છે. વિજ્ઞાન, કોઝ-ઈફેક્ટનું આ મન-વચન-કાયા ઈફેક્ટિવ છે કે અનઈફેક્ટિવ ? ઈફેક્ટિવ છે. જન્મથી જ ઈફેક્ટિવ છે. ઈફેક્ટ છે તો કૉઝ અવશ્ય હોવાં જ જોઈએ. કૉઝિઝ છે તો ઈફેક્ટ છે અને ઈફેક્ટ છે તો કૉઝિઝ હોવાં જ જોઈએ. એમ ૧ કૉઝિઝ અને ઈફેક્ટ, ઈફેક્ટ અને કૉઝિઝની ઘટમાળ ચાલ્યા જ કરે છે. ૨ જેવાં કૉઝિઝ ઉત્પન્ન કર્યાં હોય તેવી જ ઈફેક્ટ્સ આવે છે. સારાની સારી અને ખરાબની ખરાબ. પણ ઠેઠ સુધી છૂટાય તો નહીં જ. ૩ એ તો કૉઝિઝ થતાં અટકે તો જ ઈફેક્ટ્સ બંધ થાય. પણ જ્યાં સુધી 'હું ચંદુભાઈ છું' એમ તમારી બિલીફમાં છે, જ્ઞાનમાં પણ 'હું ચંદુભાઈ છું' એમ છે ત્યાં સુધી કૉઝિઝ બંધ થાય જ નહીં. એ તો જ્ઞાની પુરુષ ઢંઢોળીને જગાડે ને સ્વરૂપનું ભાન કરાવે ત્યારે કૉઝિઝ થતાં બંધ થાય. અમે કારણ શરીરનો નાશ કરી દઈએ છીએ. પછી આ ચંદુલાલની જેટલી ઈફેક્ટ્સ છે તેનો નિકાલ કરી દેવાનો. પછી એ ઈફેક્ટસનો નિકાલ કરતાં પણ તમને રાગ-દ્વેષ ના થાય અને એટલે નવાં બીજ પડે જ નહીં. હા, ૪ ઈફેક્ટ્સ તો ભોગવવી જ પડે. ૫ ઈફેક્ટ્સ તો આ જગતમાં કોઈ બદલી શકે તેમ છે જ નહીં ! આ કમ્પ્લિટ સાયન્ટિફિક વસ્તુ છે. ભલભલા સાયન્ટિસ્ટને પણ મારી વાત કબૂલ કરવી જ પડે. સંયોગો પર ને પરાધીન ૧ 'સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે અને પરાધીન છે.' ૨ આટલું જ વાક્ય પોતાની સમજમાં રહેતું હોય, પોતાની જાગૃતિમાં રહેતું હોય તો સામો માણસ ગમે તે બોલે તોય આપણને જરાય અસર થાય નહીં અને આ વાક્ય કલ્પિત નથી. જે 'એક્ઝેક્ટ' છે તે કહું છું. હું તમને એમ નથી કહેતો કે મારા શબ્દને માન રાખીને ચાલો. 'એક્ઝેક્ટ' આમ જ છે. ૩ હકીકત તમને નહીં સમજ પડવાથી તમે માર ખાવ છો. એડજસ્ટમેન્ટ, જડ ભાવો સામે પ્રશ્નકર્તા : અંદરના જડ ભાવો એવા છે ને કે સામાને દોષિત દેખાવડાવે છે. દાદાશ્રી : ૧ આપણે દોષિત કહીએ તો, આપણી ઈચ્છામાં દોષિત છે એવું લાગે ત્યારે પેલા ફરી વળે. નહીં તો ૨ આપણે કહીએ, 'ના, એ તો બહુ સારા માણસ છે', પછી એ બંધ થઈ જાય. ન હો જો દુઃખ કોઈને પ્રશ્નકર્તા : મનુષ્ય તરીકે આપણો ધર્મ શો છે ? દાદાશ્રી : કેમ કરીને ૧ આ જગતમાં આપણાં મન-વચન-કાયા લોકોને કામ લાગે એ આપણો ધર્મ છે. લોકોનો ધક્કો ખાઈએ (મદદરૂપ થઈએ), વાણીથી કોઈને સારી સમજણ આપીએ, બુદ્ધિથી સમજણ પાડીએ, કોઈને દુઃખ ના થાય એવું આપણે વલણ રાખીએ, એ આપણો ધર્મ છે. કોઈ જીવને દુઃખ ના થાય, તેમાં બધા જીવની બાધા ના લેવાય તો મનુષ્ય એકલાની એવી બાધા લેવી જોઈએ. અને મનુષ્યની બાધા લીધી હોય તો બધા જીવની બાધા લેવી જોઈએ કે ૨ આ મન-વચન-કાયાથી કોઈ જીવને દુઃખ ના હો. આટલો જ ધર્મ સમજવાનો છે ! સાચી કમાણી કઈ ? આ જગતમાં કોઇપણ જીવને કિંચિત્માત્ર દુઃખ ન દેવાની ભાવના હોય તો જ કમાણી કહેવાય. એવી ભાવના રોજ કરવી. ૧ કોઇ ગાળ આપે તે આપણને ના ગમતી હોય તો તેને જમે જ કરવી, ૨ તપાસ ના કરવી કે મેં એને ક્યારે આપી હતી. ૩ આપણે તો તરત જ જમે કરી લેવી કે હિસાબ પતી ગયો. ને ૪ ચાર પાછી આપી તો ચોપડો ચાલુ રહે, એને ઋણાનુબંધ કહે છે. ચોપડો બંધ કર્યો એટલે ખાતું બંધ. આ લોક તો શું કરે કે પેલાએ એક ધીરી હોય તો આ ઉપરથી ચાર ધીરે ! ભગવાને શું કહ્યું છે કે, ૫ જે રકમ તને ગમતી હોય તે ધીર અને ના ગમતી હોય તો ના ધીરીશ. કોઇ માણસ કહે કે, તમે બહુ સારા છો તો આપણેય કહીએ કે 'ભઇ, તમેય બહુ સારા છો.' આવી ગમતી વાત ધીરો તો ચાલે. ન જવાય મોક્ષે દુઃખ દઈને પ્રશ્નકર્તા : આપનું જ્ઞાન લીધા પછી એમ થાય છે કે ગંગાનું જેમ પવિત્ર ઝરણું વહી જાય છે, તેમ આપણે પણ વહી જવું. દાદાશ્રી : હા, વહી જવું. કોઈને અસર ના થાય, કોઈનેય દુઃખ ના થાય એ રીતે. ૧ કોઈનેય દુઃખ દઈને આપણે મોક્ષે જઈએ, એ બને નહીં. ૨ કોઈને દુઃખ થયું એટલે આપણે વહેતા હોઈએ ત્યાંથી પેલો દોરડું નાખીને પકડશે કે ઊભા રહો અને બધાંને સુખ આપીએ તો બધાં જવા દે. પાનચારો કરાવીએ તોય જવા દે, સોપારી આપીએ તોય, છેવટે લવિંગનો દાણોય આપે તોય જવા દે. લોક આશા રાખે કે કંઈક મળશે. લોક આશા ના રાખે તો આપ મહેરબાન શાના ? ૩ મોક્ષે જનારા મહેરબાન કહેવાય. તે મહેરબાની દાખવતાં દાખવતાં આપણે જવાનું. પ્રશ્નકર્તા : લોકોને આશા હોય પણ આપણે આશા રાખવાની શી જરૂર ? દાદાશ્રી : ૪ આપણે આશા રાખવાની નહીં. આ તો એમને પાન-સોપારી કે કંઈક આપીને ચાલવા માંડવાનું. નહીં તો આ લોકો તો ઊંધું બોલીને અટકાવશે. એટલે ૫ આપણે અટાવી-પટાવીને કામ કાઢી લેવાનું. લોક મોક્ષે એમ ને એમ ના જવા દે. લોકો તો કહેશે, 'અહીં શું દુઃખ છે તે ત્યાં હેંડ્યા ? અહીં અમારી જોડે મજા કરો ને ?' પ્રશ્નકર્તા : પણ આપણે લોકોનું સાંભળીએ તો ને ? દાદાશ્રી : સાંભળીએ નહીં તોય એ ઊંધું કરશે. એમને ચારેય દિશા ખુલ્લી હોય ને તમારે એક દિશા ખુલ્લી હોય. એટલે એમને શું ? એ ઊંધું કરી શકે ને તમારાથી ઊંધું ના કરાય. ૬ બધાંને રાજી રાખવાનાં. રાજી કરીને ચાલતા થવાનું. આમ આપણી સામે તાકીને જોતો હોય ત્યાં તેને 'કેમ છો સાહેબ ?' કહ્યું, તો એ ચાલવા દે અને તાકીને જોઈ રહ્યો હોય ને આપણે કશું ના બોલીએ, ત્યારે એ મનમાં કહેશે કે આ તો બહુ 'ટેસી'વાળા છે ! તે પાછું તોફાન માંડે ! પ્રશ્નકર્તા : આપણે સામાને રાજી કરવા જઈએ તો આપણામાં રાગ ના પેસી જાય ? દાદાશ્રી : એવી રીતે રાજી નહીં કરવાનું. આ પોલીસવાળાને કેવી રીતે રાજી રાખો છો ? પોલીસવાળા પર તમને રાગ બેસે છે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : રાજી તેય બધાંને કંઈ રાખવાની જરૂર નથી. ૭ આપણા રસ્તામાં કોઈ આડો આવે ત્યારે એને સમજાવી-પટાવીને કામ કાઢી લેવાનું છે. આમને તો આડા આવતાં વાર ના લાગે. ૮ એમનો કોઈનો આપણતને ધક્કો વાગી જાય, તો સામા ફરિયાદ કરવા જવાનું નહીં, પણ અટાવી-પટાવીને કામ કાઢી લેવા જેવું છે. ઉપાયમાં ઉપયોગ શાને ? ૧ આ જગતમાં કોઈ એવો જન્મ્યો જ નથી કે જે તમારું નામ દે ! ૨ અને નામ દેનારો હશે, તેને તમે લાખો લાખો ઉપાય કરશો તોય તમારું કશું વળવાનું નથી. માટે કઈ બાજુ જવું હવે ? લાખો ઉપાય કરવામાં પડી રહેવું? ના, કશું વળશે નહીં. માટે ૩ બધાં કામ પડતાં મૂકી આત્મા ભણી જાવ. છંછેડવામાં જોખમ કેટલું ? ૧ આ જગત આપણું પ્રોજેક્શન છે, એમાં બીજા કોઈની જવાબદારી છે નહીં. ભગવાન જો ઉપરી હોતને, તો તો આપણે જાણીએ કે આપણે પાપ કરીશું ને ભગવાનની ભક્તિ કરીશું તો ધોવાઈ જશે, પણ એવું નથી. આ તો જવાબદારી આપણી જ છે. ૨ કિંચિત્માત્ર, એક વિચાર અવળો આવ્યો તેની જવાબદારી આપણી જ છે. હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ આપણે જ છીએ. ઉપર કોઈ બાપોય નથી. ૩ તમારો કોઈ ઉપરી જ નથી, જે છો તે તમે જ છો. ૪ ફક્ત વ્યક્તિરૂપે બધા જુદા છે, પણ છે આત્મા જ, એટલે એ પણ ભગવાન જ છે. માટે કોઈનું નામ દેશો નહીં અને કોઈને છંછેડશો નહીં. હેલ્પ થાય તો કરજો ને ના થાય તો કંઈ નહીં, પણ છંછેડશો તો નામેય નહીં. લોક વાઘને છંછેડતા નથી, સાપને છંછેડતા નથી ને માણસોને જ છંછેડે છે, તેનું શું કારણ ? વાઘ કે સાપથી તો મરી જઈએ ને માણસો તો બહુ ત્યારે લાકડીથી મારશે કે બીજું કંઈ કરશે. એટલે માણસોને છંછેડે છેને ! ૫ કોઈનેય ના છંછેડાય, કારણ કે મહીં પરમાત્મા બેઠેલો છે. તમને સમજાય છે આ વાત ? તમે કોઈને છંછેડ્યા હતા ખરા ? પ્રશ્નકર્તા : પોતાના હાથ નીચે હોય એને માણસ છંછેડે છે. દાદાશ્રી : ૬ હાથ નીચેવાળાને જ્યાં સુધી તમને કહેવાની ટેવ છે, ટૈડકાવવાની ટેવ છે, ત્યાં સુધી તમને કોઈ ટૈડકાવનારો મળી આવશે. હું કોઈનેય ટૈડકાવતો નથી, માટે મને કોઈ ટૈડકાવતાં નથી. આપણા હાથ નીચેવાળા ટૈડકાવવા માટે નથી, એને સંતોષ થાય એ રીતે આપણે આપણું કામ કાઢી લેવાનું. આ બળદને રોજ દસ રૂપિયાનું ખવડાવે છે અને ત્રીસ રૂપિયાનું કામ કાઢી લેવડાવે છે. એવી રીતે આપણે ત્યાં મજૂરો કામ કરતા હોય, તે બિચારા એમને ફાયદો થાય તો જ આપણે ત્યાં એ રહેને ? પણ આપણે એને ટૈડકાવ ટૈડકાવ કરીએ તો એ ક્યાં જાય ? ૭ જીવમાત્રમાં ભગવાન રહેલા છે, પણ મનુષ્યોમાં તો ભગવાન વ્યક્તરૂપે થયા છે, ઈશ્વર સ્વરૂપે થયા છે, ભલે પરમેશ્વર નથી થયા. ઈશ્વર શાથી કહેવાય ? કે એ મનમાં ધારેને કે આમને એક દહાડો ગોળીથી ઠાર કરી નાખવા છે, તે એક દહાડો ગોળી મારીને ઠાર કરી નાખે ને ? એવા આ ઈશ્વર સ્વરૂપે છે, એટલે એમનું નામ જ ના દેવું. તેથી અમે કહીએ છીએ ને, કે આ કાળમાં એડજસ્ટ એવરીવ્હેર થાવ. ક્યાંય ડીસ્એડજસ્ટ થવા જેવું નથી, અહીં તો છટકી નાસવા જેવું છે. 'આ' વિજ્ઞાન તો એક-બે અવતારમાં મોક્ષે લઈ જનારું છે, માટે અહીં કામ કાઢી લેવાનું છે. આપણા જ ગુનાઓના દંડ જગત આપણને શી રીતે આંતરે ? ૧ આપણા ખાનગી ગુનાઓ છે તેથી. મારે ખાનગી ગુના નથી તો મને કોઈ આંતરતુંય નથી. ૨ મને કેમ આંતર્યો ?' એવું કહ્યું એટલે પછી આગળનું કશું દેખાય નહીં. ૩ લોક એટલે આપણો અરીસો છે, પોતાનું પ્રતિબિંબ જોવાનું સાધન. ૪ આ ભઈને મારાથી કંઈ પણ દુઃખ થાય તો જાણવું કે મારી ભૂલ થયેલી છે, એટલે હું ભૂલ સુધાર્યા વગર રહું નહીં. કંઈક વ્યવહારિક ભૂલ થઈ હોય તો સુધારવી તો પડે ને ? પણ એમાં કરવાનું કશું હોતું નથી, પણ જાણવાનું જ હોય છે. જે જ્ઞાન ક્રિયામાં આવે તે જ જ્ઞાન સાચું. ક્રિયામાં ના આવે તો જાણવું કે આ જ્ઞાન ખોટું છે. આપણાં જ સરવૈયાં... ૧ આ જગતમાં કશું ખોટું છે જ નહીં. ૨ તમને જે કોઈ પણ માણસ આપે છે, તમારું ધીરેલું જ પાછું આપે છે. ૩ ધીર્યા વગર તો કોઈ માણસ આપણે ત્યાં જમે કરાવવા આવે જ નહીં ને ! ૪ તમે ધીર્યું હશે તેટલું જ પાછું આવે છે, પણ ક્યારે ધીરેલું એની તમને ખબર નથી એટલે તમે આજના ચોપડામાં જુઓ છો કે આમાં કંઈ ધીરેલું લાગતું નથી, એટલે તમને એમ લાગે છે કે આ નવું આપવા આવ્યો છે. ખરેખર તો ૫ નવું કોઈ દહાડોય કોઈ આપવા આવે જ નહીં. બધું દેવું પાછલું જ છે, તે તમારે ઝટ જમે કરી લેવું. હવે ફરી પાછું આપણે આપીએ તો વ્યાપાર ચાલુ રહેશે. ૬ ગયા અવતારે તમે કોઈકને બે ગાળ આપી હોય તો આ અવતારમાં તમને કોઈક બે ગાળ આપે, તે ઘડીએ તમને પાછું કડવું લાગે એટલે તમે પાછા પાંચ ગાળ આપો. બે ગાળ પાછી આવી ત્યારે કડવું લાગે છે તો પાંચ ગાળ પાછી આવશે ત્યારે શી દશા થશે ? એટલે આપણે નવું ધીરવાનું બંધ કરી દો. જે વેપારમાં ખોટ ગઈ અને દુઃખ લાગે છે, એ વેપારમાં ધીરવાનું બંધ કરી દો. ૭ આપણને કોઈક બે ચોપડે ત્યારે આપણે મહીં અંદરથી શાંતિપૂર્વક એને જમે કરી લેવી જોઈએ, કારણ કે આપેલું છે એ પાછું આવ્યું છે, માટે અત્યારે જમે કરી લો ને ફરી પાછું આપવું નથી. માટે આ દુનિયામાં જે બધું મળે છે તે બધું આપેલું છે તે જ પાછું આવે છે, એવું સમજાય તો કોયડો ઉકલે કે ના ઉકલે ? એટલે આપણે જ્યાં ત્યાંથી આ કોયડો ઉકેલવાનો છે ! સ્વરૂપ, સાંસારિક સંબંધોનું ૧ પોતે પરમેનન્ટ (કાયમી) અને આ બધું જ ટેમ્પરરી (વિનાશી), શી રીતે મેળ ખાય ? તેથી જ આખું જગત મૂંઝવણમાં સપડાયું છે ! ૨ આ રિલેશન (સંબંધો)માં તો રિલેશનના આધારે જ વર્તવું જોઈએ. બહુ સત્ય-અસત્યની જક ના પકડવી. બહુ ખેંચવાથી તૂટી જાય. ૩ સામો સંબંધ ફાડે તો, આપણે જો સંબંધની જરૂર હોય તો સાંધી લઈએ તો જ સંબંધ જળવાય. કારણ કે આ બધાય સંબંધો રિલેટિવ છે. દા.ત. બૈરી કહે કે આજે પૂનમ છે, તમે કહો કે અમાસ છે તો બેઉની રકઝક ચાલે અને આખી રાત બગડે ને સવારે પેલી ચાનો કપ પછાડીને આપે, તાંતો રહે. એના કરતાં ૪ આપણે સમજી જઈએ કે આણે ખેંચવા માંડ્યું છે તે તૂટી જશે એટલે ધીરે રહીને પંચાંગ આમતેમ કરીને પછી કહીએ, ૫ 'હા, તારું ખરું છે. આજે પૂનમ છે.' એમ જરા નાટક કરીને પછી જ પેલીનું ખરું કરાવીએ, નહીં તો શું થાય ? બહુ દોરી ખેંચેલી હોય ને એકદમ તમે છોડી દો તો પેલી પડી જાય એટલે ૬ દોરી ધીમે ધીમે સામો પડે નહીં તેમ જાળવીને છોડવાની, નહીં તો તે પડે તેનો દોષ લાગે. અહંકારના પડઘા, વ્યવહારમાં ૧ અહંકાર આંધળો બનાવનારો છે. જેટલો અહંકાર વધારે એટલો આંધળો વધારે. પ્રશ્નકર્તા : કાર્ય કરવા માટે તો અહંકારની જરૂર પડવાની જ ને ? દાદાશ્રી : નહીં, એ નિર્જીવ અહંકાર જુદો છે. એને અહંકાર કહેવાય જ નહીં ને ! એને લોકોય અહંકારી ના કહે. પ્રશ્નકર્તા : તો કયો અહંકાર નુકસાનકારક ? દાદાશ્રી : આ તમે બધા જાણો છો કે 'હું જ્ઞાની છું.' પણ બહાર વ્યવહારમાં લોકો ઓછા જાણે છે કે 'હું જ્ઞાની છું.' છતાં મારામાં લોકો એક પણ એવું નહીં દેખે કે જેથી કરીને લોક મને અહંકારી કહે, જ્યારે તમને તેમ કહેશે. ૨ આ અહંકારે જ દાટ વાળ્યો છે. પ્રશ્નકર્તા : પણ આ અહંકારથી બધો વ્યવહાર ચાલતો હોય છે ને ? દાદાશ્રી : અહંકારથી વ્યવહાર નથી ચાલતો. ૩ અહંકાર પ્રમાણની બહાર ના જવો જોઈએ, નહીં તો તે નુકસાન કરે. પ્રશ્નકર્તા : લોકોને અમારા જૂના અહંકારના પડઘા પડી ગયેલા. તેથી અમને અહંકારી જ દેખે. દાદાશ્રી : ૪ તમારા જૂના અહંકારના પડઘા જ્યાં સુધી ના ભૂંસાય, ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે. ૫ પોલમ્પોલ ચાલ્યું જાય એવું નથી. એક સારા આબરૂદાર ઘરનો છોકરો હતો પણ તેને ચોરીની કુટેવ પડી ગયેલી. તેણે ચોરી બંધ કરી દીધી. પછી મારી પાસે આવીને એ કહે, 'દાદા, હજુ લોકો મને ચોર કહે છે.' ત્યારે મેં એને કહ્યું, ''તું ૬ દસ વર્ષથી ચોરી કરતો હતો તોય લોકોએ તને ઓળખ્યો નહીં, ત્યાં સુધી તને લોકો 'શાહુકાર' કહેતા હતા. હવે તું ચોર નથી ને શાહુકાર થઈશ તોય દસ વર્ષ સુધી ચોરનો પાછલો પડઘો પડ્યા કરશે. માટે તું દસ વર્ષ સુધી સહન કરજે. પણ હવે તું ફરી ચોરીઓ કરતો ના થઈ જઈશ. કારણ મનમાં એવું લાગે કે, 'આમેય મને લોક ચોર કહે છે જ, માટે ચોરી જ કરો ને ! એવું ના કરીશ.' પરિણામ પરસત્તામાં પ્રશ્નકર્તા : ખોટું કરવાવાળાને બધો ખ્યાલ આવી જાય તોય ખોટું કેમ કરે છે ? દાદાશ્રી : ૧ ખોટું થાય છે, એ તો પરપરિણામ છે. આપણે ૨ આ બોલ (દડો) અહીંથી નાખીએ પછી આપણે એને કહીએ કે હવે તું અહીંથી આઘો ના જઈશ, નાખ્યો ત્યાં જ પડી રહેજે. એવું બને ખરું ? ના બને. નાખ્યા પછી બોલ પરપરિણામમાં જાય. એટલે જેવી રીતે કર્યા હશે, એટલે કે ત્રણ ફૂટ ઊંચેથી નાખ્યો હોય તો પરિણામ બે ફૂટનાં આવે. દસ ફૂટનાં પરિણામ સાત ફૂટ આવે. પણ એ ૩ પરિણામ એની મેળે બંધ જ થઈ જવાનાં છે, આપણે જો ફરીથી એમાં હાથ ના ઘાલીએ તો ! પ્રશ્નકર્તા : તે વખતે એમ કહી શકાય કે પરાપૂર્વથી ખોટું કરતો આવ્યો છે, માટે ખોટામાં ખેંચાયા કરે છે ? દાદાશ્રી : એવું કશું નથી. આ ૪ બધું 'વ્યવસ્થિત'ને તાબે છે. એટલે એમાં એનો દોષ નથી. અહંકારનું સમાધાન શાને ? ૧ આ રૂપક જે દેખાય છે તે સંસાર નથી. ૨ અહંકાર એ જ સંસાર છે, તો તેવા સંસારમાં કશું ન સચવાય તોય શું વાંધો છે ? એક માણસે આપણને પાંચસો રૂપિયાનો દગો દીધો હોય, તો તે પાછા આપવાના ટાઈમે ૩ આપણા અહંકારનું સમાધાન ના કરે એટલે રૂપિયા પાછા લેવા આપણે એની ઉપર કેસ કરીને ધમાલ કરી મૂકીએ પણ પછી જો પેલો આવીને આપણા પગે પડે, રડે એટલે આપણો અહંકાર સંતોષાય. એટલે આપણે એને જતો કરીએ ! કર્મફળ - લોકભાષામાં, જ્ઞાનીની ભાષામાં ૧ ગયા અવતારે કર્મ અહંકારનું, માનનું બંધાયેલું હોય, તે આ અવતારમાં એનાં બધાં બિલ્ડિંગ બંધાતાં હોય, તો પછી એ એમાં માની થાય. શાથી માની થાય છે ? ૨ કર્મના હિસાબે એ માની થાય છે. હવે માની થયો, તેને જગતના લોક શું કહે છે કે, 'આ કર્મ બાંધે છે, આ આવું માન લઈને ફર્યા કરે છે.' જગતના લોકો આને કર્મ કહે છે, જ્યારે ૩ ભગવાનની ભાષામાં આ કર્મનું ફળ આવ્યું. ફળ એટલે માન ના કરવું હોય તોય કરવું જ પડે, થઈ જ જાય. અને ૪ જગતના લોકો જેને કહે કે આ ક્રોધ કરે છે, માન કરે છે, અહંકાર કરે છે, હવે એનું ફળ અહીંનું અહીં જ ભોગવવું પડે છે. ૫ માનનું ફળ અહીંનું અહીં શું આવે કે અપકીર્તિ ફેલાય, અપયશ ફેલાય. તે અહીં જ ભોગવવું પડે. આ માન કરીએ તે વખતે જો મનમાં એમ હોય કે આ ખોટું થઈ રહ્યું છે, આવું ના હોવું જોઈએ, આપણે નિર્માની થવાની જરૂર છે, એવા ભાવ હોય તો તે નવું કર્મ બાંધે છે. તેના હિસાબે આવતે ભવે પાછો નિર્માની થાય. કર્મની થિયરી આવી છે ! ૬ ખોટું થતી વખતે મહીં ભાવ ફરી જાય તો નવું કર્મ તેવું બંધાય. ૭ ને ખોટું કરે ને ઉપરથી રાજી થાય કે 'આવું કરવા જેવું જ છે.' તે પાછું નવું કર્મ મજબૂત થઈ જાય, નિકાચિત થઈ જાય. એ પછી ભોગવ્યે જ છૂટકો. ભેદબુદ્ધિ ત્યાં મતભેદ આજના જગતમાં ત્રણ માણસો ઘરમાં હોય પણ સાંજ પડે તેત્રીસ મતભેદો પડે ત્યાં ઉકેલ કેમ આવે ? ૧ જ્યાં ભેદબુદ્ધિ છે ત્યાં મતભેદ અવશ્ય થવાના જ. ૨ જ્ઞાન કોઈનીય ભૂલ ના કાઢે. બુદ્ધિ સર્વની ભૂલ કાઢે. બુદ્ધિ તો સગા ભાઈનીય ભૂલ કાઢે અને જ્ઞાન તો 'ઓરમાન મા'નીય ભૂલ ના કાઢે. ઓરમાન મા હોય તે છોકરો ખાવા બેઠો હોય તો નીચેની બળી ગયેલી ખીચડીના ખબડાં મૂકે ત્યારે બુદ્ધિ ઊભી થાય. તે કહે કે આ ઓરમાન મા જ ખરાબ છે. તે નર્યો બળાપો કરાવે. પણ જો છોકરાને ૩ જ્ઞાન મળ્યું હોય તે તરત જ જ્ઞાન હાજર થાય ને કહે, 'અલ્યા, એ શુદ્ધાત્મા અને હું પણ શુદ્ધાત્મા છું. અને ૪ આ તો પુદ્ગલની બાજી છે, તે નિકાલ થઈ રહ્યો છે. આપણા જ પરિણામ ત્યાં દોષિત કોણ ? ૧ તમને કોઈ કશું કરી શકે એમ છે જ નહીં, જો તમે કોઈનામાં સળી ના કરો તો. એની હું તમને ગેરન્ટી લખી આપું છું. ૨ અહીં નર્યા સાપ પડ્યા હોય તોય કોઈ તમને અડે નહીં એવું ગેરન્ટીવાળું જગત છે. ૩ તમારી સળીઓ બંધ થઈ ગઈ તો દુનિયામાં તમને સળી કરનાર કોઈ નથી. ૪ તમારી સળીઓનાં જ પરિણામ છે આ બધાં ! તમારી જે ઘડીએ સળીઓ બંધ થઈ જશે, ત્યારે તમારું કોઈ પરિણામ તમારી પાસે નહીં આવે. ૫ તમે આખી દુનિયાના, આખા બ્રહ્માંડના સ્વામી છો. તમારો કોઈ ઉપરી જ નથી. તમે પરમાત્મા જ છો. કોઈ તમને પૂછનાર નથી. ૬ આ બધાં આપણાં જ પરિણામ છે. આપણે આજથી કોઈને સ્પંદન કરવાનું, કિંચિત્માત્ર કોઈને માટે વિચાર કરવાનું બંધ કરી દો. વિચાર આવે તો પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવાના, એટલે આખો દિવસ કોઈના સ્પંદન વગરનો ગયો ! એવી રીતે દિવસ જાય તો બહુ થઈ ગયું, એ જ પુરુષાર્થ છે. દુઃખ દીધાનાં પ્રતિસ્પંદન ૧ આ જગતમાં તમે કોઈને દુઃખ દેશો, તો તેનો પડઘો તમને પડ્યા વગર રહેશે નહીં. સ્ત્રી-પુરુષે છૂટાછેડા લીધા પછી પુરુષ ફરી પૈણ્યો તેમ છતાંય પેલી સ્ત્રીને દુઃખ રહ્યા કરે. તો તેના પડઘા એ પુરુષને પડ્યા વગર રહે જ નહીં ૨ અને એ હિસાબ પાછો ચૂકવવો પડશે. પ્રશ્નકર્તા : જરા વિગતથી ફોડ પાડો ને ! દાદાશ્રી : આ શું કહેવા માગીએ છીએ કે ૩ જ્યાં સુધી તમારા નિમિત્તે કોઈને સહેજ પણ દુઃખ થાય છે, તો એની અસર તમારી ઉપર જ પડવાની અને એ હિસાબ તમારે પૂરો કરવો પડશે, માટે ચેતો. તમે ઓફિસમાં ૪ આસિસ્ટન્ટને ટૈડકાવો તો તેની અસર તમારી ઉપર પડ્યા વગર રહે કે નહીં ? પડે જ. બોલો હવે, જગત દુઃખમાંથી મુક્ત કઈ રીતે થાય ? ૫ માટે કોઈની અસર છોડે નહીં અને છોકરાંને સુધારવા જાઓ, પણ એનાથી એને દુઃખ થાય તો તેની અસર તમને પડશે. માટે એવું કહો કે જેથી એને અસર ના પડે અને એ સુધરે. તાંબાનાં ને કાચનાં વાસણમાં ફેર ના હોય ? તમે તાંબાનાં ને કાચનાં વાસણને એક સમજો છો ? ૬ તાંબાનાં વાસણને ગોબો પડે તો ઉપાડી લેવાય પણ કાચનું તો ભાંગી જાય. છોકરાંની તો આખી જિંદગી ખલાસ થઈ જાય. ૭ આ અજ્ઞાનતાથી જ માર પડે છે. આને સુધારવા માટે તમે કહો, તેને સુધારવા માટે કહો પણ કહેવાથી એને જે દુઃખ થયું, તેની અસર તમારી ઉપર આવશે. પ્રશ્નકર્તા : આ કાળમાં છોકરાંને તો કહેવું પડે ને ? દાદાશ્રી : કહેવાનો વાંધો નથી, પણ એવું કહો કે એને દુઃખ ના પડે અને એનો પડઘો પાછો તમને ના પડે. ૮ આપણે નક્કી કરી નાખવાનું કે આપણે કોઈને કિંચિત્માત્ર દુઃખ દેવું નથી. ૯ જેનાથી કોઈનેય કિંચિત્માત્ર દુઃખ થતું ના હોય, તે પોતે સુખિયો હોય. એમાં બે મત જ નહીં. અમે જે આજ્ઞા આપીએ છીએ, તે તમે સર્વ દુઃખથી મુક્ત થાવ, એવી આજ્ઞા આપીએ છીએ. અને આજ્ઞા પાળતાં તમને કશી જ હરકત ના આવે. અમારી આજ્ઞા કશી હરકત વગરની છે. ... માત્ર ભાવના જ કરવાની કોઇ આપણને ધોલ મારે તો આપણને દુઃખ થાય છે, એ 'લેવલ'થી જોવું. ૧ કો'કને ધોલ મારતી વખતે મનમાં આવવું જોઇએ કે મને ધોલ મારે તો શું થાય ? આપણે કોઇની પાસેથી રૂપિયા દસ હજાર ઉછીના લાવ્યા, પછી આપણા સંજોગ અવળા થયા એટલે મનમાં વિચાર આવે કે 'પૈસા પાછા નહીં આપું તો શું થવાનું છે ?' તે ઘડીએ આપણે ન્યાયથી તપાસ કરવી જોઈએ કે, ૨ 'મારે ત્યાંથી કોઈ પૈસા લઈ ગયો હોય ને એ મને પાછા ના આપે તો મને શું થાય?' એવી ન્યાયબુદ્ધિ જોઇએ. ૩ એમ થાય તો મને બહુ જ દુઃખ થાય, તેમ સામાને પણ દુઃખ થશે. માટે મારે પૈસા પાછા આપવા જ છે' એવું નક્કી જોઇએ અને એવું નક્કી કરો તો પાછું આપી શકાય. ચેતતા રહેવા જેવું છે આ જગતમાં કોઈ ગમે તેટલું ગાંડું બોલે, તે ઘડીએ આપણે જવાબ આપીએ, પછી તે ગમે તેટલો સુંદર હોય પણ ૧ સહેજેય સ્પંદન ફેંકાઈ જાય તોય ના ચાલે. ૨ સામાને બધું જ બોલવાની છૂટ છે. એ સ્વતંત્ર છે; અત્યારે પેલાં ૩ છોકરાં ઢેખાળા નાખે તો, તેમાં એ સ્વતંત્ર નથી ? ૪ પોલીસવાળો જ્યાં સુધી આંતરે નહીં, ત્યાં સુધી સ્વતંત્ર જ છે. ૫ સામો જીવ તો ગમે તે ધારે તે કરે. વાંકો ફરે ને વેર રાખે તો તો લાખ અવતાર સુધી મોક્ષે ના જવા દે ! એટલા માટે તો અમે કહીએ છીએ કે ચેતતા રહેજો. વાંકો મળે તો જેમ તેમ કરીને, ભાઈસાહેબ કરીને પણ છૂટી જજો ! આ જગતથી છૂટવા જેવું છે. પરમાત્મા, વિભૂતિ સ્વરૂપે ૧ આપણે બ્રહ્માંડના માલિક છીએ. એટલે કોઈ જીવને ડખલ ના કરવી. બને તો હેલ્પ કરો ને ના બને તો કંઈ હરકત નથી. પણ કોઈને ડખલ ના જ થવી જોઈએ. પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એવો કે પર આત્માને પરમાત્મા ગણવો ? દાદાશ્રી : ના, ગણવાનું નહીં, એ છે જ પરમાત્મા. ગણવાનું તો ગપ્પું કહેવાય. ગપ્પું તો યાદ રહે કે ના પણ રહે, આ તો ૨ ખરેખર પરમાત્મા જ છે. પણ આ પરમાત્મા વિભૂતિ સ્વરૂપે આવેલા છે. બીજું કશું છે જ નહીં. પછી ભલેને ૩ કોઈ ભીખ માંગતો હોય, પણ તેય વિભૂતિ છે અને રાજા હોય તેય વિભૂતિ છે. આપણે અહીં રાજા હોય તેને વિભૂતિ સ્વરૂપ કહે છે; ભીખ માંગતાને નથી કહેતા. ૪ મૂળ સ્વરૂપ છે, તેમાંથી વિશેષતા ઉત્પન્ન થઈ છે, વિશેષ રૂપ થયેલો છે. એટલે વિભૂતિ કહેવાય અને ૫ વિભૂતિ તે ભગવાન જ ગણાય ને ! એટલે કોઈનામાંય ડખલ તો ના જ કરવી જોઈએ. ૬ સામો ડખલ કરે તો એને આપણે સહન કરી લેવી જોઈએ, કારણ કે ભગવાન ડખલ કરે તો આપણે એને સહન કરવી જ જોઈએ. આપણે ખરેખર આ 'વ્યવહાર સ્વરૂપ' નથી. ૭ 'આ' બધું ખાલી 'ટેમ્પરરી એડજસ્ટમેન્ટ' છે. બાળકો જેમ રમકડાં રમે તેમ ૮ આખું જગત રમકડાં રમી રહ્યું છે ! પોતાના હિતનું કશું કરતો જ નથી. નિરંતર પરવશતાના દુઃખમાં જ રહ્યા કરે છે અને ટકરાયા કરે છે. સંઘર્ષણ ને ઘર્ષણ એનાથી આત્માની અનંત શક્તિઓ બધી ફ્રેકચર થઈ જાય. ૯ નોકર પ્યાલા-રકાબી ફોડે તો અંદર સંઘર્ષણ થઈ જાય, એનું શું કારણ ? ભાન નથી, જાગૃતિ નથી કે મારું કયું ને પારકું કયું ? ૧૦ પારકાનું, હું ચલાવું છું કે બીજો કોઈ ચલાવે છે ? ૧૧ આ જે તમને એમ લાગે છે કે 'હું ચલાવું છું', તે એમાંનું તમે કશું ચલાવતા નથી. એ તો તમે ખાલી માની બેઠા છો. તમારે જે ચલાવવાનું છે તે તમને ખબર નથી. પુરુષ થાય ત્યારે પુરુષાર્થ થાય. પુરુષ જ થયા નથી, ત્યાં સુધી પુરુષાર્થ કેમ કરીને થાય ? ભગવાને જોયો નુકસાનમાંય નફો મહાવીર ભગવાને એમના શિષ્યોને શિખવાડ્યું કે તમે બહાર જાવ છો ને ૧ લોકો એકાદ લાકડી મારે તો આપણે એમ સમજવું કે લાકડી એકલી જ મારી ને ? હાથ તો નથી ભાંગ્યો ને ? એટલી તો બચત થઈ ! એટલે ૨ આ જ લાભ માનજો. કોઈ એક હાથ ભાંગે તો, બીજો તો નથી ભાંગ્યો ને ? ૩ બે હાથ કાપી નાખ્યા ત્યારે કહે, પગ તો છે ને ? ૪ બે હાથ ને બે પગ કાપી નાખે તો કહેવું કે હું જીવતો તો છું ને ? ૫ આંખે તો દેખાય છે ને ? લાભાલાભ ભગવાને દેખાડ્યું. તું રડીશ નહીં; હસ, આનંદ પામ. વાત ખોટી નથી ને ? ૬ ભગવાને સમ્યક્ દ્રષ્ટિથી જોયું, જેથી નુકસાનમાં પણ નફો દેખાય. પ્રતિકૂળતાની પ્રીતિ ૧ તમારે (મહાત્માઓને) હવે સંયોગો એકલા રહ્યા છે. મીઠા સંયોગો તમને વાપરતાં નથી આવડતા. ૨ મીઠા સંયોગો તમે વેદો છો, એટલે કડવા પણ વેદવા પડે છે. ૩ પણ મીઠાને 'જાણો', તો કડવામાં પણ 'જાણવાપણું' રહેશે ! પણ તમને હજુ પહેલાંની આદતો જતી નથી, તેથી વેદવા જાવ છો. ૪ આત્મા વેદતો જ નથી, આત્મા જાણ્યા જ કરે છે. જે વેદે છે તે ભ્રાંત આત્મા છે, પ્રતિષ્ઠિત આત્મા છે. તેનેય આપણે જાણવું કે 'ઓહોહો ! આ પ્રતિષ્ઠિત આત્મા જલેબીમાં તન્મયાકાર થઈ ગયો છે.' સંજોગ સુધારીને મોકલો સંયોગો અને સંયોગી એમ બે જ છે. જેટલા પ્રમાણમાં ૧ સંયોગી સીધો એટલા પ્રમાણમાં સંયોગ સીધા અને ૨ જો સંયોગ વાંકો આવ્યો તો આપણે તરત જ સમજી લેવાનું કે, આપણે વાંકા હતા તેથી એ વાંકો આવ્યો. ૩ સંયોગોને સીધા કરવાની જરૂર નથી પણ આપણે સીધા થવાની જરૂર છે. સંયોગો તો અનંત છે, તે ક્યારે સીધા થાય ? જગતના લોકો સંયોગોને સીધા કરવા જાય છે પણ ૪ પોતે સીધો થાય એટલે સંયોગ એની મેળે સીધા થવાના, પોતે સીધા થયા છતાં થોડો વખત સંયોગ વાંકા દેખાય, પણ પછી એ સીધા જ આવવાના. ૫ કોઇ ઉપરી છે નહીં, ત્યાં સંયોગ કેમ વાંકો આવે ? ૬ આ તો પોતે વાંકો થયેલો તેથી સંયોગ વાંકા આવે છે. આ મરડો થાય ત્યારે કંઇ એના તરતનાં જ બીજ હોય ? ના, ૭ એ તો બાર વર્ષ પહેલાં બીજ પડેલાં હોય તેનો અત્યારે મરડો થાય ને મરડો થયો એટલે બાર વર્ષની ભૂલ તો ભાંગે ને ? પછી ૮ ફરી ભૂલ ના કરી એટલે પછી ફરી મરડો ના થાય. ૯ આ ગાડીમાં ચઢ્યા પછી ભીડવાળી જગ્યા મળે, કારણ કે પોતે જ ભીડવાળો છે. પોતે જો ભીડ વગરનો થયો હોય તો જગ્યા પણ ભીડ વગરની મળે. ૧૦ પોતાની ભૂલો જ ઉપરી છે, એ આપણને સમજાઇ ગયું પછી છે કશો ભો ? આ અમને દેખીને કોઇ પણ ખુશ થઇ જાય છે. અમે જ ખુશ થઇ જઇએ એથી એની મેળે સામેવાળો ખુશ થઇ જાય. આ તો સામેવાળો અમને દેખીને ખુશ તો શું, પણ આફ્રીન થઇ જાય. ૧૧ સામાવાળો આપણો જ ફોટો છે ! રાખો શુદ્ધ ઉપયોગનો અભ્યાસ સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ પછી તમારે કરવાનું શું ? તમારે હવે ઉપયોગ રાખવાનો. અત્યાર સુધી આત્માનો 'ડાયરેક્ટ' શુદ્ધ ઉપયોગ હતો જ નહીં. ૧ પ્રકૃતિ જેમ નચાવતી હતી, તેમ તમે નાચતા હતા અને પાછા કહો કે હું નાચ્યો ! મેં આ દાન કર્યું, મેં આમ કર્યું, તેમ કર્યું, આટલી સેવા કરી ! હવે તમને આત્મા પ્રાપ્ત થયો, એટલે તમારે ઉપયોગમાં રહેવાનું. હવે ૨ તમે પુરુષ થયા ને તમારી પ્રકૃતિ જુદી પડી ગઈ. ૩ પ્રકૃતિ એનો ભાગ ભજવ્યા વગર રહેવાની નહીં, એ છોડવાની નથી. અને તમારે પુરુષે પુરુષાર્થમાં રહેવાનું એટલે કે પુરુષે પુરુષાર્થ કરવાનો. 'જ્ઞાની પુરુષે' આજ્ઞા આપી હોય તેમાં રહેવાનું, ઉપયોગમાં રહેવાનું. ઉપયોગ એટલે શું ? આમ બહાર નીકળ્યા ને આમ ગધેડાં જતાં હોય, કૂતરાં જતાં હોય, બિલાડાં જતાં હોય ને આપણે તેમાં શુદ્ધાત્મા જોઈએ નહીં ને એમ ને એમ ચાલ્યા કરીએ, તો આપણો ઉપયોગ નકામો ગયો કહેવાય. ઉપયોગ દઈને તેમાં આત્મા જોતાં જોતાં જઈએ તો એ શુદ્ધ ઉપયોગ કહેવાય. આવો શુદ્ધ ઉપયોગ એક કલાક જો રાખે તેને ઇન્દ્રનો અવતાર આવે એટલી બધી કિંમતી વસ્તુ છે એ ! પ્રશ્નકર્તા : શુદ્ધ ઉપયોગ વ્યવહારમાં, ધંધામાં રહી શકે ખરો ? દાદાશ્રી : ૪ વ્યવહારને ને શુદ્ધ ઉપયોગને લેવાદેવા જ નથી. ધંધો કરતો હોય કે ગમે તે કરતો હોય, પણ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, પોતે પુરુષ થયા પછી શુદ્ધ ઉપયોગ થાય. સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ પહેલાં કોઈને શુદ્ધ ઉપયોગ થાય નહીં. હવે તમે શુદ્ધ ઉપયોગ કરી શકો. પ્રશ્નકર્તા : એટલે ગધેડાને આપણે પરમાત્મા તરીકે જોઈએ, પરમાત્મા માનીએ તો..... દાદાશ્રી : ના, ના. ૫ પરમાત્મા માનવાના નહીં, પરમાત્મા તો મહીં બેઠા છે તે પરમાત્મા અને બહાર બેઠો છે એ ગધેડો છે. એ ગધેડા ઉપર આપણે ગૂણી મૂકીને અને મહીંલા પરમાત્મા જોઈને ચાલવાનું. ૬ વહુમાં પરમાત્મા જોઈને વ્યવહાર રાખવાનો. નહીં તો બાયડી પૈણેલા હોય તે, શું ત્યારે બાવા થઈ જાય ? આ જુવાન છોકરાઓ શું બાવા થઈ જાય ? ના, ના, ૭ બાવા થવાનું નથી. મહીં ભગવાન જુઓ. ૮ ભગવાન શું કહે છે ? મારાં દર્શન કરો. મને બીજી કંઈ પીડા નથી. મને કંઈ વાંધો નથી. વ્યવહાર વ્યવહારમાં વર્તે છે, તેમાં તમે મને જુઓ, શુદ્ધ ઉપયોગ રાખો. પરિણામમાં સમતા આપણા 'અક્રમ'નો સિદ્ધાંત એવો છે કે પૈસા પડતા હોય તો પહેલા પડતા બંધ કરવાના અને પછી પહેલાંના પડી ગયેલા, વેણી લેવાના ! જગત છે તે વેણ વેણ કર્યા કરે. અલ્યા, પડી રહ્યા છે તેને તો પહેલાં બંધ કર, નહીં તો નિકાલ જ નહીં થાય ! ૧ તમારે વ્યવહાર જેટલો હોય તે બધો પૂરો કરી રહ્યા, એટલે પછી તમારે વ્યવહારની બહુ મુશ્કેલી ના આવે. ૨ મહીં જેવી ભાવના થાય એ બધું આગળથી તૈયાર હોય ! 'વિહાર લેક' ફરવા ગયેલાં, ત્યાં મને નવો જ વિચાર આવ્યો કે આ સો જણ - પચાસ સ્ત્રીઓ ને પચાસ પુરુષો બધાં મળી ગરબો ફરે તો કેવું સરસ ! તે આ વિચાર સાથે જ ફરીને આમ જોવા જાઉં, ત્યાં તો બધાં આમ ઊભાં થઈ ગયેલાં અને ગરબો ફરવા માંડ્યા ! હવે આને માટે મેં કોઈને કહેલું નહીં, તોય બન્યું ! એટલે આવું થાય છે ! તમારું વિચારેલું નકામું નહીં જાય, બોલવું નકામું નહીં જાય. અત્યારે તો લોકોનું કેવું જાય છે ? કશું ઊગતું જ નથી. વાણીય ઊગતી નથી, વિચારેય ઊગતા નથી ને વર્તનેય ઊગતું નથી. ત્રણ વખત ઉઘરાણી માટે ધક્કા ખાય તોય પેલો મળે નહીં ! પણ વખતે મળે ત્યારે પેલો દાંતિયાં કરતો હોય !!! આમાં તો કેવું કે ઘેર બેઠાં પૈસા પાછા આપવા આવે એવો માર્ગ છે ! પાંચ-સાત વખત ઉઘરાણીના ધક્કા ખાધા હોય, એ ના મળ્યો હોય ને છેલ્લે મળે ત્યારે એ કહે છે કે મહિના પછી આવજો. તે ઘડીએ ૩ તમારા પરિણામ બદલાય નહીં, તો ઘેર બેઠાં નાણું આવે ! તમારાં પરિણામ બદલાઈ જાય છે ને ? ૪ 'આ અક્કલ વગરનો છે, નાલાયક છે, ધક્કો માથે પડ્યો.' આમતેમ એટલે તમારાં પરિણામ બદલાયેલાં હોય. ફરી વાર તમે જાવ ત્યારે પેલો તમને ગાળો દે. અમારાં પરિણામ બદલાય નહીં, પછી શી ચિંતા ? ૫ પરિણામ બદલાઈ જાય એટલે સામો બગડતો ના હોય તોય બગડે. પરિણામ ના બગડે તો ? પ્રશ્નકર્તા : એનો અર્થ એ જ થાય કે આપણે બગાડીએ છીએ ? દાદાશ્રી : ૧ આપણું બધું આપણે જ બગાડીએ છીએ. આપણને જેટલી અડચણો આવે છે, તે બધી આપણે જ બગાડેલી છે. કોઈ વાંકો હોય એને સુધારવાનો રસ્તો શો ? ત્યારે કહે કે ૨ સામો ગમે તેટલું દુઃખ દેતો હોય તોય એને માટે અવળો વિચાર સરખો ના આવે, એ એને સુધારવાનો રસ્તો ! આમાં આપણુંય સુધરે ને એનુંય સુધરે ! જગતના લોકોને અવળો વિચાર આવ્યા વગર રહે નહીં. ને આપણે તો 'સમભાવે નિકાલ' કરવાનું કહ્યું, ૩ 'સમભાવે નિકાલ' એટલે એને માટે કંઈ પણ (અવળો) વિચાર કરવાનો નહીં. જો વાઘ જોડે પ્રતિક્રમણ કરીએ તો વાઘેય આપણા કહ્યા પ્રમાણે કામ કરે. વાઘમાં ને મનુષ્યોમાં ફેર કશો છે નહીં. ૪ ફેર તમારાં સ્પંદનનો છે. એની અસર થાય છે. ૫ વાઘ 'હિંસક છે' એવું તમારા મનમાં ધ્યાન હોય, ત્યાં સુધી એ પોતે હિંસક જ રહે અને વાઘ 'શુદ્ધાત્મા છે' એવું ધ્યાન રહે તો, એ શુદ્ધાત્મા જ છે. બધું જ થઈ શકે તેમ છે. ૬ આ બોલને ફેંક્યા પછી એની મેળે સ્વભાવથી જ પરિણામ બંધ થઈ જવાનાં. એ સહજ સ્વભાવ છે. ત્યાં જગત આખાની મહેનત નકામી ગઈ ! ૭ જગત પરિણામને બંધ કરવા જાય છે ને કોઝિઝ ચાલુ જ રહે છે ! એટલે પછી વડમાંથી જ બીજ ને બીજમાંથી વડ થયા જ કરે. ૮ પાંદડાં કાપ્યે કંઈ દહાડો વળે નહીં. એ તો મૂળ સહિત કાઢી નાખીએ તો કામ થાય. આપણે તો એના ધોરી મૂળમાં જરાક દવા નાખી દઈએ એટલે આખું ઝાડ સુકાઈ જાય. ૯ આ સંસાર વૃક્ષ કહેવાય છે. આ બાજુ કડવાં ફળ આવે, આ બાજુ મીઠાં ફળ આવે. તે પાછાં પોતાને જ ખાવાં પડે. એક ફેર આંબા પર વાંદરાં આયાં હોય ને કેરીઓ તોડી નાખે, તો પેલાના પરિણામ ક્યાં સુધી બગડે ? પરિણામ એટલાં બધાં બગાડે કે આગળ-પાછળનો વિચાર કર્યા વગર બોલી નાખે કે, 'આ આંબો કાપી નાખ્યો હોય તો જ ઠેકાણે પડે !' હવે આ તો ભગવાનની સાક્ષીએ વાત નીકળેલી એ કંઈ નકામી જાય ? ૧૦ પરિણામ ના બગડે તો કશુંય નથી. બધું શાંત થઈ જાય, બંધ થઈ જાય ! જો કોઇ એટલું જ નક્કી કરે, કે ૧૧ જે કોઇ દુઃખ દે છે, જે જે કરે છે, ગજવું કાપે છે તે કોઇનો દોષ નથી, પણ દોષ મારો છે, ૧૨ મારા કર્મના ઉદયનો છે. માટે કોઇને દોષિત તરીકે ના જુઓ તો મુક્તિ મળી જાય. પણ આ તો 'આણે મને આમ કર્યું, આ મારું ચોરી ગયા, આ મારું ખાઇ ગયા', બધા લોકોની ઉપર આરોપ કરે છે, જે નહીં કરવાનું તે કરે છે. ભૂલો જ તમારી ઉપરી કોઇ ઉપરી છે નહીં, કોઇ વઢનાર છે નહીં. ૧ વઢનારા તે આપણી ભૂલને લઇને, ભૂલ ના હોય તો કોઇ વઢનાર જ નથી. ૨ આપણી ભૂલ ભાંગી જાય તો કોઇ વઢનાર છે જ નહીં, કોઇ ઉપરી છે જ નહીં, કોઇ આડખીલી કરનારો છે જ નહીં. ભગવાનને કહે કે, 'સાહેબ, તમે તો મોક્ષે પહોંચી ગયા પણ આ લોકો મારું ચોરી કરી જાય છે, તો તેનું શું થાય ?' તે ભગવાન કહે કે, 'ભાઇ, ૩ લોક ચોરી કરે જ નહીં. તારી પાસે તારી ભૂલ છે ત્યાં સુધી ચોરી કરશે. તારી ભૂલ ભાંગી નાખ.' બાકી ૪ કોઇ તારું નામ પણ ના દઇ શકે એવી તારી શક્તિ છે ! દરેક જીવ સ્વતંત્ર શક્તિ લઇને આવેલા છે ! જીવમાત્ર સંપૂર્ણ સ્વતંત્ર જ છે. ૫ પરતંત્રતા લાગે છે, લોકો એને રિબાવે છે, તે એની પોતાની ભૂલથી જ. ૬ આપણી ભૂલોને લીધે આ વેશ ઊભો થયો છે. ખરેખર જોઇએ તો ૭ આપણો કોઇ ઉપરી છે જ નહીં, માત્ર પોતાની ભૂલો જ ઉપરી છે. તો ભૂલો ભાંગો અને નવી ભૂલો ના થવા દેશો. અભિપ્રાયથી જ બંધન પ્રશ્નકર્તા : ઘણાં માણસો એવા હોય છે કે તેમના માટે અભિપ્રાય બંધાયેલો હોય કે 'આ માણસ સારો છે, આ લબાડ છે, આ લુચ્ચો છે, આ મારો બેટો કાતરવા જ આવ્યો છે.' દાદાશ્રી : ૧ અભિપ્રાય બંધાય એ જ બંધન. ૨ અમારા ગજવામાંથી કાલે કોઈ રૂપિયા કાઢી ગયું હોય અને આજે એ પાછો અહીં આવે તો અમને શંકા ના રહે કે એ ચોર છે. કારણ કે ૩ કાલે એના કર્મનો ઉદય એવો હોય. ૪ આજે એનો ઉદય કેવો હોય, તે શું કહેવાય ? પ્રશ્નકર્તા : પણ પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય. દાદાશ્રી : એ પ્રાણ ને પ્રકૃતિ નહીં જોવાની. આપણે એની સાથે લેવાદેવા નથી, ૫ એ કર્મને આધીન છે બિચારો ! એ એનાં કર્મ ભોગવી રહ્યો છે, ૬ આપણે આપણાં કર્મને ભોગવી રહ્યા છીએ. આપણે ચેતતા રહેવું પડે. પ્રશ્નકર્તા : એ વખતે એના પ્રત્યેનો સમભાવ રહે કે નાય રહે. દાદાશ્રી : અમારા કહ્યા પ્રમાણે તમે કરો તો તમારું કામ થઈ જાય કે ૭ આ બધું કર્મના આધીન છે. અને ૮ આપણું જવાનું હોય તો જ જાય. માટે તમારે ગભરાવાનું કોઈ કારણ નથી. લોકસંજ્ઞાએ અભિપ્રાય અવગાઢ ભગવાને સહુને નિર્દોષ જોયેલા. કોઈને દોષિત તેમણે જોયેલા નહીં અને ૧ આપણી એવી ચોખ્ખી દ્રષ્ટિ થશે ત્યારે ચોખ્ખું વાતાવરણ થશે. પછી જગત આખું બગીચા જેવું લાગ્યા કરે. ૨ ખરેખર કંઈ લોકોમાં દુર્ગંધ નથી. લોકોનો પોતે અભિપ્રાય બાંધે છે. ૩ અમે ગમે તેની વાત કરીએ પણ અમારે કોઈનો અભિપ્રાય ના હોય કે, તે આવો જ છે ! પાછું અનુભવેય થાય કે આ અભિપ્રાય કાઢી નાખ્યા તેથી આ ભાઈમાં આ ફેરફાર થઈ ગયો ! ૪ અભિપ્રાય બદલવા માટે શું કરવું પડે કે એ ચોર હોય તો આપણે શાહુકાર છે, એવું કહીએ. મેં આમને માટે આવો અભિપ્રાય બાંધ્યો હતો, તે અભિપ્રાય ખોટો છે, હવે એ અભિપ્રાય હું છોડી દઉં છું એવું 'ખોટો છે, ખોટો છે' કહેવું. ૫ આપણો અભિપ્રાય 'ખોટો છે' એવું કહેવાનું, એટલે આપણું મન ફરે, નહીં તો મન ફરે નહીં ! બાકી બધાને માટે આપણને કઈ કશું હોતું નથી. ૬ રોજ ચોરી કરતો હોય તો આપણે એને ચોર છે, એવો અભિપ્રાય બાંધવાની જરૂર જ શી છે ? એ ચોરી કરે છે, એ એના કર્મનો ઉદય છે ! અને જેનું લેવાનું હોય તે તેના કર્મનો ઉદય છે, આમાં આપણે શું લેવાદેવા ? પણ ૭ આપણે એને ચોર કહીએ તો એ અભિપ્રાય જ છે ને ? ૮ અને ખરેખર તો એ આત્મા જ છે ને ? અભિપ્રાયોનો અંધાપો ૧ આ ભાઇ કાયમ દાન આપે છે અને આજેય તે દાન આપશે એવું માનવું એ 'પ્રેજ્યુડીસ' (પૂર્વગ્રહ) છે. કોઇ માણસ રોજ આપણને લપકા કરી જતો હોય ને આજે જમવા બોલાવવા આવ્યો હોય તોય એને દેખતાં જ વિચાર આવે કે આ લપકા કરશે, તે 'પ્રેજ્યુડીસ'. ૨ આ 'પ્રેજ્યુડીસ'ને લઇને સંસાર ઊભો રહ્યો છે. ૩ પહેલાંનું 'જજમેન્ટ' (ચુકાદો) છોડી દો, એ તો બદલાયા જ કરે છે. ૪ ચોર ચોરી આપણા દેખતાં કરે તોય તેના પર પૂર્વગ્રહ ના રાખશો, કાલે એ શાહુકારેય થઇ જાય. અમને એક ક્ષણવાર પૂર્વગ્રહ ના હોય. કોઇ તીનપત્તીવાળો અહીં આવ્યો હોય અને તમારો તેના પર અભિપ્રાય બેસી ગયો હોય કે 'આ તીનપત્તીવાળો છે', તો એ અહીં બેઠો હોય તેટલી વાર તમને મહીં ખૂંચ્યા કરે. બીજા કોઇને ના ખૂંચે, તેનું કારણ શું ? પ્રશ્નકર્તા : બીજા જાણતા નથી કે 'આ તીનપત્તીવાળો છે' માટે. દાદાશ્રી : બીજા જાણે છે પણ અભિપ્રાય બેસાડતા નથી અને ૫ તમને અભિપ્રાય બેઠેલો તેથી ખૂંચે. તે અભિપ્રાય આપણે છોડી નાખવા જોઇએ. આ અભિપ્રાય આપણે જ બાંધ્યા, માટે એ આપણી જ ભૂલ છે, તેથી એ ખૂંચે છે. સામો એમ નથી કહેતો કે મારે માટે અભિપ્રાય બાંધો. ૬ આપણને ખૂંચે એ તો આપણી જ ભૂલનું પરિણામ છે. અભિપ્રાય કેવી રીતે છૂટે ? ૧ કોઇ આપણને દગો કરી ગયો હોય એ આપણે સંભારવાનો ના હોય. પાછલું સંભારવાથી બહુ નુકસાન થાય છે. અત્યારે વર્તમાનમાં એ શું કરે છે એ જોઇ લેવાનું, નહીં તો 'પ્રેજ્યુડીસ' કહેવાય. પ્રશ્નકર્તા : પણ ધ્યાનમાં તો રાખવું જોઇએને એ ? દાદાશ્રી : એ તો એની મેળે હોય જ. ૨ ધ્યાનમાં રાખીએ તો 'પ્રેજ્યુડીસ' થાય. 'પ્રેજ્યુડીસ'થી તો ફરી સંસાર બગડે. આપણે વીતરાગ ભાવે રહેવું. ૩ પાછલું લક્ષમાં રહે જ, પણ એ કંઇ 'હેલ્પિંગ' વસ્તુ નથી. ૪ આપણા કર્મના ઉદય એવા હતા તેથી એણે આપણી જોડે એવું વર્તન કર્યું. ૫ ઉદય સારા હશે તો ઊંચું વર્તન કરશે. 'પ્રેજ્યુડીસ' માટે રાખશો નહીં. ૬ તમને શું ખબર પડે કે પહેલાં છેતરી ગયેલો આજે નફો આપવા આવ્યો છે કે નહીં ? અને તમારે એની જોડે વ્યવહાર કરવો હોય તો કરો ને ના કરવો હોય તો ના કરશો, પણ 'પ્રેજ્યુડીસ' ના રાખશો ! અને વખતે વ્યવહાર કરવાનો વખત આવે તો તો બિલકુલ 'પ્રેજ્યુડીસ' ના રાખશો. પ્રશ્નકર્તા : અભિપ્રાય વીતરાગતા તોડે છે ? દાદાશ્રી : હા. આપણને અભિપ્રાય ના હોવા જોઇએ. ૭ અભિપ્રાય અનાત્મ વિભાગના છે, તે તમારે 'જાણવું' કે તે ખોટો છે, નુકસાનકારક છે. ૮ પોતાના દોષે, પોતાની ભૂલે, પોતાના 'વ્યુપોઇન્ટ'થી અભિપ્રાય બાંધે છે. તમને અભિપ્રાય બાંધવાનો શો 'રાઇટ' (અધિકાર) છે ? પ્રશ્નકર્તા : અભિપ્રાય બંધાઇ જાય અને તે ભૂંસાય નહીં, તો નવું કર્મ બંધાય ? દાદાશ્રી : આ અક્રમ વિજ્ઞાન પ્રાપ્ત થયું હોય ને આત્મા-અનાત્માનું ભેદજ્ઞાન થયું હોય તેને નવું કર્મ ના બંધાય. હા, અભિપ્રાયોનું પ્રતિક્રમણ ના થાય તો સામા પર તેની અસર રહ્યા કરે, તેથી તેનો તમારી પર ભાવ ના આવે. ચોખ્ખા ભાવથી રહે તો એકુય કર્મ બંધાય નહીં અને જો પ્રતિક્રમણ કરો તો એ અસરેય ઊડી જાય. સાતે ગુણી નાખ્યા તેને સાતે ભાગી નાખ્યા એ જ પુરુષાર્થ. ૯ જન્મથી તે મૃત્યુ પર્યંત બધું 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ'ના હાથમાં છે, તો અભિપ્રાય રાખવાની જરૂર જ ક્યાં છે ? સ્વરૂપજ્ઞાન મળ્યા પછી, જ્ઞાતા-જ્ઞેયનો સંબંધ પ્રાપ્ત થયા પછી બે-પાંચ અભિપ્રાયો પડ્યા હોય તેને કાઢી નાખીએ એટલે 'વીથ ઓનર્સ' (માનભેર) પાસ થઇએ આપણે ! ૧૦ અભિપ્રાયને લીધે જેમ છે તેમ જોઇ શકાતું નથી, મુક્ત આનંદ અનુભવાતો નથી, કારણ કે અભિપ્રાયનું આવરણ છે. અભિપ્રાય જ ના રહે ત્યારે નિર્દોષ થવાય. સ્વરૂપજ્ઞાન પછી અભિપ્રાય છે ત્યાં સુધી તમે મુક્ત કહેવાઓ, પણ મહામુક્ત ના કહેવાઓ. અભિપ્રાયને લીધે જ અનંત સમાધિ અટકી છે. ૧૧ પહેલાં જે 'કોઝિઝ' હતા તેની અત્યારે 'ઇફેક્ટ' આવે છે. પણ એ 'ઇફેક્ટ' પર 'સારું છે, ખોટું છે' એ અભિપ્રાય આપે છે, એનાથી રાગદ્વેષ થાય છે. ક્રિયાથી 'કોઝિઝ' નથી બંધાતા, પણ અભિપ્રાયથી 'કોઝિઝ' બંધાય છે. અનાદિનો અધ્યાસ અમારે નાનપણમાં આવી બુદ્ધિ હતી. સામાને માટે 'સ્પીડી' અભિપ્રાય બાંધી દે. ગમે તેના માટે સ્પીડી અભિપ્રાય બાંધી દે. એટલે હું સમજી જાઉં કે તમારું આ બધું શું ચાલતું હશે ? ખરી રીતે તો, ૧ કોઈનાય માટે અભિપ્રાય રાખવા જેવું જગત જ નથી. કો'કને માટે અભિપ્રાય રાખવો એ જ આપણું બંધન છે ને કોઈના અભિપ્રાય રહ્યા નહીં એ આપણો મોક્ષ છે. ૨ કો'કને ને આપણને શું લેવાદેવા ? એ એનાં કર્મ ભોગવી રહ્યા છે, આપણે આપણાં કર્મ ભોગવી રહ્યા છીએ. સૌ સૌનાં કર્મ ભોગવી રહ્યાં છે. એમાં કોઈને લેવાદેવા જ નથી, કોઈનો અભિપ્રાય બાંધવાની જરૂર જ નથી. ભગવાને તો એટલે સુધી કહ્યું છે કે ગઈ કાલે આપણા ગજવામાંથી સો રૂપિયા એક માણસ લઈ ગયો ને આપણને અણસારાથી કે આજુબાજુના વાતાવરણથી એ ખબર પડી. પછી બીજે દહાડે એ આવે તો એના પર દેખતાંની સાથે શંકા કરવી એ ગુનો છે. પ્રશ્નકર્તા : અને આ અભિપ્રાય રહે છે કે આ જૂઠો છે, તો એ ગુનો છે ? દાદાશ્રી : ૩ શંકા કરવી ત્યાંથી જ ગુનો ઉત્પન્ન થાય છે. ભગવાને શું કહ્યું છે કે ૪ ગઈકાલે એનાં કર્મના ઉદયથી ચોર હતો ને આજે ના પણ હોય, આ તો બધું ઉદય પ્રમાણે છે. પ્રશ્નકર્તા : પણ તો અમારે વર્તવું કેવી રીતે ? અમે જો અભિપ્રાય નથી રાખતા, તો એ પેંધી પડ્યો કે આ તો ઠીક છે, આ કંઈ બોલવાના નથી. માટે આપણે રોજ રોજ આક્ષેપો નાખતા જાવ. દાદાશ્રી : નહીં, આપણે તો એને અભિપ્રાય આપ્યા સિવાય ચેતીને ચાલવું. આપણે ગજવામાં પૈસા રાખતા હોય ને આપણે જાણ્યું કે આ માણસ અહીંથી ઉઠાવી ગયો છે, તો કોઈની ઉપર અભિપ્રાય ના બંધાય. એટલા માટે આપણે પૈસા બીજી જગ્યાએ મૂકી દેવા. પ્રશ્નકર્તા : એમ નથી, આ તો એક માણસ પોતાનો કોઈ બીજો લેણદાર હોય, એને એમ કહેશે, 'મેં ચંદુભાઈને કહ્યું છે, એમણે તમને પૈસા મોકલી આપ્યા છે.' ત્યારે થાય કે હું તને મળ્યો નથી, તું મને મળ્યો નથી ને આટલું જૂઠું બોલે છે ? મારે આવું બને, ત્યાં હવે કેવી રીતે વર્તવું ? દાદાશ્રી : હા, એવું બધું ખોટુંય બોલે, પણ એ બોલ્યો શાથી ? કેમ બીજાનું નામ ના દીધું ને ચંદુભાઈનું જ દે છે ? માટે ૫ આપણે કંઈક ગુનેગાર છીએ. આપણા કર્મનો ઉદય એ જ આપણો ગુનો છે. પ્રશ્નકર્તા : પણ અહીંયાં મારે વર્તવું કેમ ? દાદાશ્રી : રાગ-દ્વેષથી આ સંસાર ઊભો થાય છે. ૬ આનું મૂળ જ રાગ-દ્વેષ છે. રાગ-દ્વેષ કેમ થાય છે ? ત્યારે કહે કે ૭ કોઈનામાં ડખલ કરી કે રાગ-દ્વેષ ઊભો થયો. એ ઘરમાંથી ચોરી ગયો હોય છતાંય ૮ તમે એને ચોર માનો, તો તમારો રાગ-દ્વેષ ઊભો થયો. કારણ કે ૯ 'આ ચોર છે' એવું તમે માનો છો અને એ તો લૌકિક જ્ઞાન છે. ૧૦ અલૌકિક જ્ઞાન તેવું નથી. અલૌકિકમાં તો એક જ શબ્દ કહે છે કે તે તારા જ કર્મનો ઉદય છે. ૧૧ એનો કર્મનો ઉદય અને તારા કર્મનો ઉદય, એ બે ભેગા થાય એટલે એ લઈ ગયો. તેમાં તું ફરી પાછો શા માટે અભિપ્રાય બાંધે છે કે આ ચોર છે ? અમે તો તમને કહીએ ને કે, ચેતીને ચાલો, હડકાયેલું કૂતરું મહીં પેસી જાય છે એમ લાગે કે તરત 'આપણું' બારણું વાસી દો. પણ તેની પર તમે એમ કહો કે આ હડકાયેલું જ છે, તો એ અભિપ્રાય બાંધ્યો કહેવાય. પ્રશ્નકર્તા : અરે દાદા, કૂતરું પેસી જશે, માટે બારણું વાસવાને બદલે હું સામો જોર કરું અને બારણું બંધ કરતાંય બારણાનો ફજેતો કરું ને કૂતરાનોય ફજેતો કરું ! દાદાશ્રી : આ બધું લૌકિક જ્ઞાન છે. ભગવાનનું અલૌકિક જ્ઞાન તો શું કહે છે કે કોઈની ઉપર આરોપેય ના આપશો, કોઈની ઉપર અભિપ્રાય ના બાંધશો. કોઈના માટે કશો ભાવ જ ના કરશો. ૧૨ 'જગત નિર્દોષ જ છે' એવું જાણશો તો છૂટશો. ૧૩ જગતના તમામ જીવો નિર્દોષ જ છે ને હું એકલો જ દોષિત છું, ૧૪ મારા જ દોષે કરીને બંધાયેલો છું, એવી દ્રષ્ટિ થશે ત્યારે છૂટાશે. ભગવાને જગત નિર્દોષ જોયું, મને પણ કોઈ દોષિત દેખાતું નથી. ફૂલહાર ચઢાવે તોય કોઈ દોષિત નથી ને ગાળો ભાંડે તોય કોઈ નથી અને જગત નિર્દોષ જ છે. આ તો ૧૫ માયાવી દ્રષ્ટિને લઈને બધા દોષિત દેખાય છે. આમાં ખાલી દ્રષ્ટિનો જ દોષ છે. દાનેશ્વરી માણસ દાન આપે છે તેને એ કહે, 'આ દાન આપે છે એ કેવા સરસ લોકો છે ?' ત્યારે ભગવાન કહે છે કે તું શું કરવા રાજી થાય છે ? એ એનાં કર્મના ઉદય ભોગવી રહ્યો છે. ૧૬ દાન લેનારાય એનાં કર્મના ઉદય ભોગવી રહ્યા છે. તું વચ્ચે વગર કામનો શું કરવા ભાંજગડ કરે છે ? ૧૭ ચોરી કરનારા ચોરી કરે છે, એય એનાં કર્મના ઉદય ભોગવી રહ્યા છે. ૧૮ જગત આખુંય પોતપોતાનાં કર્મને જ વેદે છે ! અમે તમને જ્યારથી જોયા, જ્યારથી ઓળખ્યા, ત્યારથી ૧૯ અમારો તો કોઈ દિવસ અભિપ્રાય ના બદલાય. પછી તમે આમ ફરો કે તેમ ફરો, એ બધું તમારા કર્મના ઉદયને આધીન છે. જ્યાં સુધી પોતાના દોષો દેખાતા નથી અને પારકાના જ દોષો દેખાયા કરે છે, એવી દ્રષ્ટિ જ્યાં સુધી છે, ત્યાં સુધી સંસાર ઊભો રહેવાનો. જ્યારે પારકાના એકુય દોષ નહીં દેખાય અને પોતાના બધા જ દોષો દેખાશે, ત્યારે જાણવું કે મોક્ષે જવાની તૈયારી થઈ. બસ આટલો જ દ્રષ્ટિફેર છે ! ૨૦ પારકા દોષ દેખાય છે એ જ આપણી જ દ્રષ્ટિમાં ભૂલ છે. કારણ કે ૨૧ આ બધા જીવો કોઈ પોતાની સત્તાથી નથી, પરસત્તાથી છે. ૨૨ પોતાનાં કર્મના આધારે છે. નિરંતર કર્મોને ભોગવ્યા જ કરે છે ! ૨૩ એમાં કોઈ કોઈનો દોષ હોતો જ નથી. જેને આ સમજણ પડી તે મોક્ષે જશે. નહીં તો વકીલાત જેવી સમજણ પડી, તો અહીંનો અહીં જ રહેશે. ૨૪ અહીંનો ન્યાય તોલશે તો અહીંનો અહીં જ રહેશે. છૂટ્યા અભિપ્રાય તો આપણે મુક્ત આખું જગત અભિપ્રાયને લીધે ચાલે છે. એવું આ અભિપ્રાય કોઈ બેસાડતું નથી, પણ ૧ લોકસંજ્ઞાથી અભિપ્રાય બેસી જાય છે ૨ સહુ સહુની પ્રકૃતિ પ્રમાણે અભિપ્રાય બેઠા હોય. એ અભિપ્રાય બધા જે બેસી ગયા છે, બધા કાઢવા તો પડશે જ ને ! ૩ આપણા બધા અભિપ્રાય આપણે ધોઈ નાખવા એટલે આપણે છૂટ્યા. મારો તો પહેલેથી જ સિદ્ધાંત કે મેં જે છોડવો પાણી પાઇને ઉછેર્યો હોય તો ત્યાંથી મારે રેલવે લાઇન પણ લઇ જવી હોય તો તેને બાજુથી વાળી લઉં, પણ મારો ઉછેરેલો છોડવો ના ઉખેડું ! સિદ્ધાંત હોવો જોઇએ. એક ફેર મંડન કર્યા પછી ખંડન ક્યારેય પણ ના કરાય. ખંડનની વાત તો ક્યાં રહી, પણ તમે ભેગા થયા છો ત્યારથી ૪ તમારા માટે જે અભિપ્રાય બાંધ્યો છે તે એક સેકન્ડ પણ મારો અભિપ્રાય ના ફરે ! 'જ્ઞાની પુરુષ'નો કેવો સિદ્ધાંત ! આજે હું નક્કી કરું કે આ માણસ ચોખ્ખો છે, પછી એ માણસે મારા ખિસ્સામાંથી પૈસા લીધા હોય, કોઇ પુરાવો આપતો હોય કે મેં એને જાતે ચોરી કરતા જોયો છે તોય હું કહું કે એ ચોર નહોય. કારણ કે અમારી સમજ જુદી છે. ૧ એ માણસ કાયમને માટે કેવો છે એવું અમે જોઇ લીધું હોય, પછી સંજોગવશાત્ એ માણસ ગમ્મે તે કરે તેની અમે નોંધ કરીએ નહીં. જગત આખું સંજોગવશાત્ની નોંધ કરે છે. ૨ પ્રકૃતિ તો અભિપ્રાયેય રાખે ને બધુંય રાખે, પણ આપણે અભિપ્રાય રહિત થવું. ૩ આપણે જુદા, પ્રકૃતિ જુદી, આ 'દાદા'એ એ જુદું પાડી આપ્યું છે. પછી આપણે 'આપણો' ભાગ જુદો ભજવવો. આ ૪ 'પારકી પીડા'માં ઊતરવું નહીં. જેવો અભિપ્રાય તેવી અસર પ્રશ્નકર્તા : ઢોલ વાગતું હોય તો ચિઢિયાને ચિઢ ચઢી કેમ જાય છે? દાદાશ્રી : ૧ એ તો માન્યું કે 'નથી ગમતું' તેથી. આ ઢોલ વગાડતી હોય તો આપણે કહેવું કે, 'ઓહોહો, ૨ ઢોલ બહુ સરસ વાગે છે !' એટલે પછી મહીં કશું ના થાય. ૩ 'આ ખરાબ છે' એવો અભિપ્રાય આપ્યો એટલે મહીં બધી મશીનરી બગડે. આપણે તો નાટકીય ભાષામાં કહીએ કે 'બહુ સરસ ઢોલ વગાડ્યો.' એટલે મહીં અડે નહીં. કોણ કોને અથડાયું ? લોકો એવું કહે છે ને કે, 'ઠોકર મને વાગી.' એવું જ કહે છે ને કે, 'હું આમ જતો હતો ને ઠોકર મને વાગી ?' ૧ ઠોકર તો એની એ જ જગ્યાએ, રોજે ત્યાં ને ત્યાં જ બેસી રહેલી છે. ૨ ઠોકર કહે છે, 'અક્કરમી, તું મને વાગ્યો ! તું અથડાય અથડાય કરે છે. હું ના કહું છું તોય એ પાછો અથડાય છે ! મારો તો મુકામ જ આ જગ્યાએ છે. ૩ આ અક્કરમી આંધળા જેવો મને વાગે છે.' ઠોકર કહે છે તે બરોબર છે ને ? આવી આ દુનિયા છે ! પછી મોક્ષ ખોળે તો ક્યાંથી થાય ? અંતે સથવારે કોણ ? પ્રશ્નકર્તા : 'હું કહું છું, એ સાચું છે', એવું માનવું નહીં એમ ? દાદાશ્રી : ૧ સાચું હોય તોય આપણે શું ? મારું કહેવાનું કે ૨ ઠાઠડીમાં એકલાને જ જવાનું હોય છે ને ! પછી આ વગર કામની ભાંજગડો માથે લઈને ક્યાં ફરીએ ? જન્મ પહેલાં ચાલતો ને મૂઆ પછી ચાલશે, અટકે ના કોઈ દિ' વ્યવહાર રે, સાપેક્ષ સંસાર રે... - નવનીત અનંત અવતાર આની આ જ પીડામાં પડ્યો છે ! આ તો આ અવતારનાં બૈરાં-છોકરાં છે, પણ દરેક અવતારે જ્યાં ને ત્યાં બૈરાં-છોકરાં જ કર્યાં છે ! રાગ-દ્વેષ કર્યા છે ને કર્મો જ બાંધ્યાં ! ૩ આ સગાઈ-બગાઈ કશું ના મળે ! ૪ આ તો કર્મફળ આપ્યા કરે. ઘડીકમાં અજવાળું આપે ને ઘડીકમાં અંધારું આપે. ઘડીકમાં ફટકો આપે ને ઘડીકમાં ફૂલાં ચઢાવે ! આમાં સગાઈ તો હોતી હશે ? ૫ આ તો અનાદિથી ચાલ્યા જ કરે છે ! આપણે આને ચલાવનાર કોણ ? આપણે આપણા કર્મથી કેમ છૂટાય, એ જ 'જોયા' કરવાનું છે. છોકરાંને ને આપણે કશી લેવાદેવા નથી. આ તો વગર કામની ઉપાધિ ! ૬ બધાં કર્મોને આધીન છે. જો ખરી સગાઈઓ હોય ને તો ઘરમાં બધાં નક્કી કરે કે આપણે ઘરમાં વઢવાડ નથી કરવી. પણ આ તો કલાક-બે કલાક પછી બાઝી પડે ! કારણ એ ૭ કોઈના હાથમાં સત્તા જ નથી ને ! આ તો બધા કર્મના ઉદય. ફટાકડા ફૂટે તેમ ફટાફટ ફટાફટ ફૂટે છે ! ૮ કોઈ સગોય નથી ને વહાલોય નથી, તો પછી શંકા-કુશંકા કરવાની ક્યાં રહી ? ૯ 'તમે' પોતે 'શુદ્ધાત્મા', આ 'તમારું' 'પાડોશી' શરીર જ તમને દુઃખ આપનારું છે ને ! અને ૧૦ છોકરાં તો 'તમારાં' 'પાડોશી'નાં છોકરાં, એમની જોડે આપણે શી ભાંજગડ ? અને પાડોશીનાં છોકરાં માને નહીં; ત્યારે આપણે એમને જરાક કહેવા જઈએ તો છોકરાં શું કહે છે કે, 'અમે શાનાં છોકરાં તમારાં ?' અમે તો 'શુદ્ધાત્મા છીએ' ! ૧૧ કોઈને કોઈની પડેલી નથી !!! છૂટકારાની ચાવી શી ? ૧ આ જગતનો કાયદો શો છે ? કે શક્તિવાળો અશક્તિવાળાને મારે. ૨ કુદરત તો શક્તિવાળો કોને બનાવે છે કે પાપ ઓછાં કર્યાં હોય, તેને શક્તિવાળો બનાવે છે અને પાપ વધારે કર્યાં હોય, તેને અશક્તિવાળો બનાવે છે. જો ૩ તમારે છૂટકારો મેળવવો હોય તો એક ફેરો માર ખાઈ લો. મેં આખી જિંદગી એવું જ કર્યું છે. ત્યાર પછી મેં તારણ કાઢ્યું કે મને કોઈ જાતનો માર રહ્યો નહીં, ભય પણ રહ્યો નહીં. મેં આખું 'વર્લ્ડ' શું છે, એનું તારણ કાઢ્યું છે. મને પોતાને તો તારણ મળી ગયું છે, પણ હવે લોકોને પણ તારણ કાઢી આપું છું. એટલે જ્યારે ત્યારે તો આ લાઈન ઉપર આવવું જ પડશે ને ? ૪ કાયદો કોઈને છોડતો નથી. જરાક ગુનો કર્યો કે ચાર પગ થઈને ભોગવવું પડશે. ચાર પગમાં પછી સુખ લાગે કંઈ ? ૫ ગુના માત્ર બંધ કરો. અહિંસાથી તમને કોઈ પણ જાતનો માર પડવાનો ભય રહેશે નહીં. કોઈ મારશે, કોઈ કૈડી ખાશે એટલોય ભય રાખશો નહીં. આ રૂમ આખો સાપથી ભરેલો હોય તોય પણ પેલો અહિંસક પુરુષ મહીં પેસે તો સાપ ઉપરાછાપરી ચઢી જાય, પણ એને અડે નહીં ! માટે ચેતીને ચાલજો. ૬ આ જગત બહુ જ જુદી જાતનું, તદ્દન ન્યાય સ્વરૂપ છે ! જગતનું તારણ કાઢીને અનુભવના સ્ટેજ ઉપર લઈએ, ત્યારે જ કામ થાય ને ? 'આનું શું પરિણામ આવશે ?' એનું 'રિસર્ચ' કરવું પડશે ને ? પ્રશ્નકર્તા : માર ખાધા પછી 'રિસર્ચ' ઉપર જાય છે ને ? દાદાશ્રી : હા, ૭ ખરી 'રિસર્ચ' તો માર ખાધા પછી જ થાય. માર આપ્યા પછી 'રિસર્ચ' ના થાય. કોમનસેન્સ એટલે ? વ્યવહાર શુદ્ધ થવા માટે શું જોઈએ ? ૧ 'કોમનસેન્સ કમ્પ્લીટ' જોઈએ. સ્થિરતા-ગંભીરતા જોઈએ. વ્યવહારમાં 'કોમનસેન્સ'ની જરૂર. 'કોમનસેન્સ' એટલે 'એવરીવ્હેઅર એપ્લિકેબલ'. સ્વરૂપજ્ઞાન સાથે 'કોમનસેન્સ' હોય તો બહુ દીપે. પ્રશ્નકર્તા : 'કોમનસેન્સ' કેવી રીતે પ્રગટ થાય ? દાદાશ્રી : ૨ કોઈ પોતાને અથડાય, પણ પોતે કોઈને અથડાય નહીં, એવી રીતે રહે તો 'કોમનસેન્સ' ઉત્પન્ન થાય. પણ પોતે કોઈને અથડાવો ના જોઈએ, નહીં તો 'કોમનસેન્સ' જતી રહે ! ૩ ઘર્ષણ પોતાના તરફનું ના હોવું જોઈએ. સામાના ઘર્ષણથી 'કોમનસેન્સ' ઉત્પન્ન થાય. આ આત્માની શક્તિ એવી છે કે ઘર્ષણ વખતે કેમ વર્તવું, એનો બધો ઉપાય બતાવી દે અને એક વખત બતાવે પછી એ જ્ઞાન જાય નહીં. આમ કરતાં કરતાં 'કોમનસેન્સ' ભેગી થાય. આપણું વિજ્ઞાન મેળવ્યા પછી માણસ એવો રહી શકે, અગર તો સામાન્ય જનતામાં કો'ક માણસ એવી રીતે રહી શકે, એવા પુણ્યશાળી લોકો હોય છે. પણ એ તો અમુક જગ્યાએ રહી શકે, દરેક બાબતમાં ના રહી શકે ! ૪ બધી આત્મશક્તિ જો કદી ખલાસ થતી હોય તો તે ઘર્ષણથી. સંઘર્ષથી સહેજ પણ ટકરાયા તો ખલાસ ! ૫ સામો ટકરાય તો આપણે સંયમપૂર્વક રહેવું જોઈએ ! ટકરામણ તો થવી જ ના જોઈએ. પછી ૬ આ દેહ જવાનો હોય તો જાય, પણ ટકરામણમાં ના આવવું જોઈએ. ૭ દેહ તો કોઈના કહેવાથી જતો રહેતો નથી. દેહ તો વ્યવસ્થિતના તાબે છે. ૮ આ જગતમાં વેરથી ઘર્ષણ થાય છે. સંસારનું મૂળ બીજ વેર છે. જેનાં વેર અને ઘર્ષણ, બે બંધ થયાં તેનો મોક્ષ થઈ ગયો ! પ્રેમ નડતો નથી, વેર જાય તો પ્રેમ ઉત્પન્ન થાય. મારે ખાસ ઘર્ષણ નહીં થવાનું. મને 'કોમનસેન્સ' જબરજસ્ત એટલે તમે શું કહેવા માગો છો એ તરત જ સમજાઈ જાય. લોકોને એમ લાગે કે આ દાદાનું અહિત કરી રહ્યા છે, પણ ૯ મને તરત સમજાઈ જાય કે આ અહિત અહિત નથી. સાંસારિક અહિત નથી ને ધાર્મિક અહિતેય નથી અને આત્મા સંબંધમાં અહિત છે જ નહીં. લોકોને એમ લાગે કે આત્માનું અહિત કરી રહ્યા છે, પણ અમને એમાં હિત સમજાય. એટલો આ 'કોમનસેન્સ'નો પ્રભાવ. તેથી અમે 'કોમનસેન્સ'નો અર્થ લખ્યો છે કે 'એવરીવ્હેઅર એપ્લિકેબલ.' બુદ્ધિ અને પ્રજ્ઞાનું ડિમાર્કેશન પ્રશ્નકર્તા : અંતઃકરણના કયા ભાગને પહેલી 'ઇફેક્ટ' થાય છે ? દાદાશ્રી : પહેલી ૧ બુદ્ધિને 'ઇફેક્ટ' થાય છે. બુદ્ધિ જો હાજર ના હોય તો અસર ના થાય. પ્રશ્નકર્તા : આ પ્રજ્ઞાએ કામ કર્યું કે બુદ્ધિએ કામ કર્યું, એ કઈ રીતે ખબર પડે ? બુદ્ધિ અને પ્રજ્ઞાની વ્યાખ્યા શી ? દાદાશ્રી : અજંપો કરે તે બુદ્ધિ. પ્રજ્ઞામાં અજંપો ના હોય. આપણને ૨ સહેજ પણ અજંપો થાય તો જાણવું કે બુદ્ધિનું ચલણ છે. તમારે બુદ્ધિ નથી વાપરવી તોય વપરાય જ છે. ૩ એ (બુદ્ધિ) જ તમને જંપીને બેસવા નથી દેતી. એ તમને 'ઈમોશનલ' કરાવડાવે. એ બુદ્ધિને આપણે કહેવું કે 'હે બુદ્ધિબેન ! તમે તમારે પિયર જાવ. અમારે હવે તમારી જોડે કંઈ લેવાદેવા નથી.' સૂર્યનું અજવાળું થાય, પછી મીણબત્તીની જરૂર ખરી ? એટલે આત્માનો પ્રકાશ થયા પછી બુદ્ધિના પ્રકાશની જરૂર રહેતી નથી. અમને બુદ્ધિ ના હોય. અમે અબુધ હોઈએ. હાર્ટિલી પસ્તાવો તમારે જોડે જોડે ૧ સમજવું જોઈએ કે આ બુદ્ધિ ખોટી છે, ત્યારથી એ ગાંઠો છેદી નાખે. આ જગતમાં જ્ઞાન એકલો જ પ્રકાશ છે. ૨ આ મારું અહિતકારી છે, એવું એને સમજાય, એવું જ્ઞાન એને પ્રાપ્ત થાય, તો એ ગાંઠો છેદી નાખે. પ્રશ્નકર્તા : પણ એ તો બધાંય એવું માને છે કે 'ખોટું બોલવું એ પાપ છે, બીડી પીવી એ ખરાબ છે. માંસાહાર કરવો, અસત્ય બોલવું, ખોટી રીતે વર્તવું એ બધું ખરાબ છે.' તેમ છતાં લોકો ખોટું કર્યે જ જાય છે, તે કેમ ? દાદાશ્રી : ૩ 'આ બધું ખોટું છે, આ ના કરવું જોઈએ.' એવું બધા બોલે છે, તે ઉપલક બોલે છે. 'સુપરફ્લુઅસ' બોલે છે, 'હાર્ટિલી' નથી બોલતા. બાકી જો એવું 'હાર્ટિલી' બોલે તો એને અમુક ટાઈમે ગયે જ છૂટકો ! તમારો ગમે તેવો ખરાબ દોષ હોય, પણ તેનો તમને ખૂબ 'હાર્ટિલી' પસ્તાવો થાય તો એ દોષ ફરી ના થાય. અને ફરી થાય તોય તેનો વાંધો નથી, પણ પસ્તાવો ખૂબ કર્યા કરો. હવે કેટલાકને એમ થાય કે ખૂબ પસ્તાવો કર્યો છતાંય ફરી એવો દોષ થાય, તો એને એમ થાય કે આ આમ કેમ થયું-એટલો બધો પસ્તાવો થયો તોય ? ૪ ખરેખર તો 'હાર્ટિલી' પસ્તાવો થાય, તેનાથી દોષ અવશ્ય જાય છે ! કષાયોથી આવરાયા પરમાત્મા ૧ આ ક્રોધ-માન-માયા-લોભ, એ બધી નબળાઈ કહેવાય. અને એ નબળાઈ જાય તો પરમાત્મા પ્રગટ થાય. ૨ નબળાઈ રૂપી આવરણ છે. વળી ૩ 'પ્રિજ્યુડિસ' બહુ હોય. એક માણસને માની બેઠા હોય, તે એવો ને એવો જ આપણને લાગ્યા કરે. આવો કાયમનો એ હોતો નથી. ૪ હર સેકંડે ફેરફાર હોય છે. ૫ આખું જગત ફેરફારવાળું છે. નિરંતર પરિવર્તન થયા જ કરે છે. નિર્ગૂંચ વ્યવહાર એટલે જ સરળ મોક્ષમાર્ગ આપણા ગુસ્સાથી સામાને દુઃખ થયું હોય કે સામાને કંઈ પણ નુકસાન થયું હોય, ત્યારે આપણે ચંદુભાઈ (ફાઈલ નં.૧)ને કહેવું કે, 'હે ચંદુભાઈ, પ્રતિક્રમણ કરી લો, માફી માગી લો.' સામો માણસ જો પાંસરો ના હોય, ને એને આપણે પગે લાગીએ ત્યારે એ ઉપરથી આપણને ટપલી મારે કે જુઓ હવે ઠેકાણે આવ્યું !! મોટા ઠેકાણે લાવનાર આ લોક ! આવા લોકની જોડે ભાંજગડ ઓછી કરી નાખવી. પણ ૧ એનો ગુનો તો માફ કરી દેવો જ જોઈએ. ૨ એ ગમે તેવા સારા ભાવથી કે ખરાબ ભાવથી તમારી પાસે આવ્યો હોય, પણ એની જોડે કેવું રાખવું એ તમારે જોવાનું. ૩ સામાની પ્રકૃતિ વાંકી હોય તો એ વાંકી પ્રકૃતિ જોડે માથાકૂટ નહીં કરવી જોઈએ. પ્રકૃતિનો જ જો એ ચોર હોય, આપણે દસ વર્ષથી એની ચોરી જોતા હોઈએ ને એ આપણને આવીને પગે લાગી જાય તો આપણે એના ઉપર શું વિશ્વાસ મૂકવો ? વિશ્વાસ ના મૂકાય. ૪ ચોરી કરે તેને માફી આપણે આપી દઈએ કે તું જા હવે, તું છૂટ્યો. અમને તારા માટે મનમાં કંઈ નહીં રહે. પણ એના ઉપર વિશ્વાસ ના મૂકાય અને એનો પછી સંગેય ના રખાય. છતાં ૫ સંગ રાખ્યો ને પછી વિશ્વાસ ન મૂકો તો તે પણ ગુનો છે. ખરી રીતે ૬ સંગ રાખવો નહીં ને રાખો તો એના માટે પૂર્વગ્રહ રહેવો જ ના જોઈએ. ૭ 'જે બને તે ખરું' એમ રાખવું. આ તો બહુ ઝીણું 'સાયન્સ' (વિજ્ઞાન) છે. અત્યાર સુધી આવું 'સાયન્સ' પ્રગટ નથી થયું. દરેક વાત તદ્દન નવી ડિઝાઈનમાં છે ને પાછું આખા 'વર્લ્ડ'ને કામ લાગે એવું છે. પ્રશ્નકર્તા : આનાથી આખો વ્યવહાર સુધરી જાય ? દાદાશ્રી : હા, વ્યવહાર સુધરી જાય અને લોકોનો 'મોક્ષમાર્ગ' સરળ થઈ જાય. વ્યવહાર સુધારવો, એનું નામ જ સરળ મોક્ષમાર્ગ. આ તો મોક્ષમાર્ગ લેવા જતાં વ્યવહાર બગાડ બગાડ કરે છે ને દહાડે દહાડે વ્યવહાર ગૂંચવી નાખ્યો છે. હિસાબી છે જગત આ પ્રશ્નકર્તા : આપણે સારું કામ તન, મન ને ધનથી કરતા હોઈએ, પણ કોઈ આપણું ખરાબ જ બોલે, અપમાન કરે તો તેનું શું કરવું ? દાદાશ્રી : આત્મજ્ઞાન હોય તો અપમાનનો વાંધો ના આવે. પણ જ્ઞાન ના હોય તો ૧ મહીંથી કહેવું કે પોતાની પહેલાંની ભૂલ હશે. આપણી પોતાની જ ભૂલ હશે તેથી સામો અપમાન કરે છે. મારો કંઇ પહેલાંનો હિસાબ હશે તેથી પાછો વાળે છે, એટલે આપણે જમા કરી લો. આ ૨ અપમાન કરવાવાળાને કહીએ કે, ''ભાઇ, તું ફરી અપમાન કર તો?'' ત્યારે એ કહેશે, ''હું કંઇ નવરો છું ?'' ૩ આ તો જે ઉધાર્યુ છે એ જ જમા કરાવી જાય છે. ૪ જે અપમાન કરે છે તે ભયંકર પાપ બાંધી રહ્યો છે. હવે ૫ આમાં આપણું કર્મ ધોવાઈ જાય છે ને ૬ અપમાન કરનારો તો નિમિત્ત બન્યો. ૭ કોઇ ગાળ ભાંડતો હોય તો તમને ગાળ ભાંડનારનો દોષ ના દેખાય. તમારું જ્ઞાન એવું હોય કે ગાળ ભાંડે છતાં તેનો દોષ દેખાય નહીં ને ૮ મારા જ કર્મના ઉદયનો દોષ છે એવું ભાન રહે. આને જ ભગવાને ધર્મધ્યાન કહ્યું છે. અહંકારનો રસ ખેંચી લેવા દો બધાને અપમાન ના ગમે. પણ અમે કહીએ છીએ કે ૧ એ તો બહુ હેલ્પીંગ છે. માન-અપમાન એ તો અહંકારનો કડવો-મીઠો રસ છે. ૨ અપમાન કરે તે તો તમારો કડવો રસ ખેંચવા આવ્યો કહેવાય. 'તમે અક્કલ વગરના છો' એમ કહ્યું એટલે એ રસ સામાએ ખેંચી લીધો, ૩ જેટલો રસ ખેંચાયો એટલો અહંકાર તૂટ્યો અને એ પણ વગર મહેનતે બીજાએ ખેંચી આપ્યો. અહંકાર તો રસવાળો છે. જ્યારે અજાણતાં કોઈ કાઢે ત્યારે લહાય બળે. એટલે જાણીને સહેજે અહંકાર કપાવા દેવો. ૪ સામો સહેજે રસ ખેંચી આપતો હોય એના જેવું તો વળી બીજું શું ? ૫ સામાએ કેટલી બધી હેલ્પ કરી કહેવાય. માન-અપમાનનું ખાતું ૧ 'જ્યારે અપમાનનો ભય નહીં રહે ત્યારે કોઈ અપમાન નહીં કરે.' એવો નિયમ જ છે. જ્યાં સુધી ભય છે ત્યાં સુધી વેપાર. ભય ગયો એટલે વેપાર બંધ. તમારા ચોપડામાં માન અને અપમાનનું ખાતું રાખો. ૨ જે જે કોઈ માન-અપમાન આપે તેને ચોપડામાં જમે કરી દો, ઉધારશો નહીં. ગમે તેટલો મોટો કે નાનો કડવો ડોઝ કોઈ આપે તે ચોપડામાં જમે કરી લો. ૩ નક્કી કરો કે મહિનામાં સો જેટલાં અપમાન જમે કરવાં છે. ૪ તે જેટલાં વધારે આવશે, તેટલો વધારે નફો. ને સોને બદલે સિત્તેર મળ્યાં તો ત્રીસ ખોટમાં. તે બીજે મહિને એકસો ત્રીસ જમે કરવાનાં. ૫ જો ત્રણસો અપમાન જેને ચોપડે જમા થઈ જાય, તેને પછી અપમાનનો ભય ના રહે. એ પછી તરી પાર ઊતરી જાય. પહેલી તારીખથી ચોપડો ચાલુ જ કરી દેવાનો. આટલું થાય કે ના થાય ? પ્રતિક્રમણની ગહનતા પ્રશ્નકર્તા : આમાં કોઈ વખત આપણને ઓછું આવી જાય કે હું આટલું બધું કરું છું, છતાં આ મારું અપમાન કરે છે ? દાદાશ્રી : આપણે તેનું પ્રતિક્રમણ કરવું પડે. ૧ આ તો વ્યવહાર છે. ૨ આમાં બધી જાતના લોક છે. તે મોક્ષે ના જવા દે. પ્રશ્નકર્તા : એ પ્રતિક્રમણ આપણે શાનું કરવાનું ? દાદાશ્રી : પ્રતિક્રમણ એટલા માટે કરવાનું કે ૩ આમાં મારા કર્મનો ઉદય હતો ને તમારે આવું કર્મ બાંધવું પડ્યું. એનું પ્રતિક્રમણ કરું છું ને ૪ ફરી એવું નહીં કરું કે જેથી કરીને કોઈને મારા નિમિત્તે કર્મ બાંધવું પડે. જગત કોઈને મોક્ષે જવા દે તેવું નથી. બધી રીતે આંકડા આમ ખેંચી જ લાવે. તેનાથી આપણે પ્રતિક્રમણ કરીએ તો આંકડો છૂટી જાય. એટલે મહાવીર ભગવાને આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખાન, આ ત્રણ વસ્તુ એક જ શબ્દમાં આપી છે. બીજો કોઈ રસ્તો જ નથી. હવે પોતે પ્રતિક્રમણ ક્યારે કરી શકે ? પોતાને જાગૃતિ હોય ત્યારે; જ્ઞાની પુરુષ પાસે જ્ઞાન પ્રાપ્ત થાય, ત્યારે એ જાગૃતિ ઉત્પન્ન થાય. ૫ આપણે તો પ્રતિક્રમણ કરી લેવું, એટલે આપણે જવાબદારીમાંથી છૂટ્યા. મને શરૂ શરૂમાં બધા લોકો 'એટેક' કરતા હતા ને ? પણ પછી બધા થાકી ગયા !! ૬ આપણો જો સામો હલ્લો હોય તો સામા ના થાકે ! ૭ આ જગત કોઈનેય મોક્ષે જવા દે તેવું નથી. એવું બધું બુદ્ધિવાળું જગત છે. આમાંથી ચેતીને ચાલે, સમેટીને ચાલે તો મોક્ષે જાય ! શુદ્ધિકરણ દોષોનું પ્રતિક્રમણથી ૧ 'ચંદુભાઈ'ને 'તમારે' એટલું જ કહેવું પડે કે પ્રતિક્રમણ કર્યા કરો. તમારા ઘરનાં બધાં જ માણસો જોડે તમારે, 'મારાથી કંઈ પણ પહેલાં મનદુઃખ થયેલું હોય, આ ભવ, સંખ્યાત કે અસંખ્યાત ભવોમાં જે જે રાગ-દ્વેષ, વિષય-કષાયથી દોષો કર્યા હોય તો તેની ક્ષમા માગું છું.' એમ રોજ એક-એક કલાક કાઢવો. ૨ ઘરનાં દરેક માણસને, આજુબાજુના સર્કલના દરેકને લઈને, ઉપયોગ મૂકીને પ્રતિક્રમણ કર્યા કરવું જોઈએ. એ કર્યા પછી આ બધા બોજા હલકા થઈ જશે. બાકી એમ ને એમ હલકા થવાય નહીં. ૩ અમે આખા જગત જોડે આ રીતે નિવારણ કરેલું, ત્યારે તો આ છૂટકો થયો. ૪ જ્યાં સુધી સામાનો દોષ પોતાના મનમાં છે, ત્યાં સુધી જંપ ના વળવા દે. આ પ્રતિક્રમણ કરો, ત્યારે એ ભૂંસાઈ જાય. ૫ રાગ-દ્વેષવાળી દરેક ચીકણી 'ફાઈલ'ને ઉપયોગ મૂકીને પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરવું. રાગની ફાઈલ હોય તેનાં તો પ્રતિક્રમણ ખાસ કરવાં જોઈએ. કરો યાદ-ફરિયાદનું નિવારણ 'આ જગતમાં કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી.' એવું તમે નક્કી કર્યું છે ને ? છતાં કેમ યાદ આવે છે ? ૧ હજી કોઈ જગ્યાએ ચોંટ છે, તે પણ 'રિલેટિવ' ચોંટ કહેવાય; 'રિયલ' ના કહેવાય. ૨ જે યાદ આવ્યું તેનું બેઠાં બેઠાં 'પ્રતિક્રમણ' કરવાનું, બીજું કંઈ જ કરવાનું નથી. પ્રતિક્રમણ કરતાં ૩ ફરી પાછું યાદ આવે ત્યારે આપણે જાણવું કે આ હજુ ફરિયાદ છે ! માટે ફરી આ પ્રતિક્રમણ જ કરવાનું. જે રસ્તે અમે છૂટ્યા છીએ, તે રસ્તા તમને બતાડી દીધા છે. અત્યંત સહેલા ને સરળ રસ્તા છે. નહીં તો આ સંસારથી છૂટાય નહીં. આ તો ભગવાન મહાવીર છૂટે, બાકી ના છૂટાય. ભગવાન તો મહા-વીર કહેવાયા ! તોય એમના કેટલાય ઊંચા તથા નીચા અવતાર થયા હતા. જ્ઞાનીના કહ્યા પ્રમાણે ચાલશો, તો બધું રાગે પડી જશે. કરારોથી છૂટો હવે આત્મજ્ઞાન મળ્યા પછી તમારે તો નક્કી કરવાનું કે 'મારે દાદાની આજ્ઞા પાળવી છે.' અને ના પળાય તોય તેની ચિંતા નહીં કરવાની. તમારે દ્ઢ નિશ્ચય કરવાનો કે મારાં સાસુ વઢે છે, તો તેમની જોડે, દેખાય તે પહેલાં જ મનમાં નક્કી કરવું કે ૧ 'મારે દાદાની આજ્ઞા પાળવી છે અને આમની જોડે 'સમભાવે નિકાલ' કરવો જ છે.' પછી સમભાવે નિકાલ ના થાય તો તમે જોખમદાર નથી. તમે આજ્ઞા પાળવાના અધિકારી, ૨ તમે તમારા નિશ્ચયના અધિકારી છો, એના પરિણામના અધિકારી તમે નથી. તમારે નિશ્ચય હોવો જોઈએ કે મારે આજ્ઞા પાળવી જ છે. પછી ના પળાય તો તેનો ખેદ તમારે કરવાનો નહીં. પણ હું તમને દેખાડું તે પ્રમાણે પ્રતિક્રમણ કરવાનું. ૩ અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. આટલો સરળ, સીધો ને સુગમ માર્ગ છે તેને સમજી લેવાનો છે ! પ્રકૃતિ કરે વાંકું, પુરુષ કરે સીધું ૧ પ્રકૃતિ વાંકું કરે, પણ તું અંદર સીધું કરજે. પ્રકૃતિ ક્રોધ કરવા માંડી ત્યારે 'આપણે' ૨ 'ચંદુભાઈ'ને શું કહેવું પડે ? ચંદુભાઈ આ ખોટું થઈ રહ્યું છે, આવું ના હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ.' એટલે 'તમારું' કામ પૂરું થઈ ગયું ! ૩ પ્રકૃતિ તો કાલે સવારે અવળીય નીકળે ને સવળીય નીકળે. એની સાથે આપણે લેવાદેવા નથી. ૪ ભગવાન શું કહે છે કે 'તું તારું બગાડીશ નહીં.' ૫ મનુષ્યોનો સ્વભાવ કેવો હોય છે કે જેવી પ્રકૃતિ એવો પોતે થઈ જાય. જ્યારે પ્રકૃતિ સુધરતી નથી ત્યારે કહેશે, 'મેલ છાલ !' અલ્યા, ૬ ના સુધરે તો કશો વાંધો નથી, તું આપણે અંદર સુધાર ને ! પછી આપણી 'રિસ્પોન્સિબિલિટી' (જવાબદારી) નથી ! આટલું બધું આ 'સાયન્સ' છે !!! બહાર ગમે તે હોય તેની 'રિસ્પોન્સિબિલિટી' જ નથી. આટલું સમજે તો ઉકેલ આવી જાય. પ્રકૃતિનું પૃથક્કરણ પ્રશ્નકર્તા : પ્રકૃતિનું 'એનાલિસીસ' (પૃથક્કરણ) કઈ રીતે કરવું તે સમજાવો. દાદાશ્રી : ૧ સવારના ઊઠીએ ત્યારથી મહીં ચાની બૂમ પાડે છે કે શાની બૂમ પાડે છે, એવી ખબર ના પડે ? એ પ્રકૃતિ છે. પછી બીજું શું માગે છે ? ત્યારે કહે કે, 'જરાક નાસ્તો, ચેવડો કંઈક લાવજો.' એ પણ ખબર પડે ને ? આવું આખો દહાડો ૨ પ્રકૃતિને જુએ તો પ્રકૃતિનું 'એનાલિસીસ' થઈ જાય. ૩ એનાથી દૂર રહીને બધું જોવું જોઈએ ! ૪ આ બધું આપણી મરજીથી કોઈ નથી કરતું, પ્રકૃતિ કરાવે છે ! પ્રશ્નકર્તા : આ તો સ્થૂળ થયું પણ અંદર જે ચાલતું હોય તે કઈ રીતે જોવું ? દાદાશ્રી : ૫ એ ઈચ્છા કોને થઈ, એ આપણે જોઈ લેવું. આ ઇચ્છા મારી છે કે પ્રકૃતિની છે, એ આપણે જોઈ લેવું. કારણ મહીં બે જ વસ્તુ છે. પ્રશ્નકર્તા : છૂટા રહીને 'જોવું' એ જાતની પ્રેક્ટિસ કરવી પડે ? દાદાશ્રી : એક જ દહાડો કરે તો આ બધું આવડી જ જાય પછી. આ બધું એક જ દહાડો કરવાની જરૂર. બીજા બધા દિવસો તેનું તે જ પુનરાવર્તન છે. ૬ એટલે અમે એક રવિવારને દહાડે લગામ છોડી દેવાનો પ્રયોગ કરવાનો કહીએ છીએ. એનાથી આપણા મનમાં એમ થાય કે 'આપણે આ લગામ ઝાલી છે, તો જ આ ચાલે છે.' એ નીકળી જાય. પ્રશ્નકર્તા : લગામ ઝાલી એમ કહ્યું, એટલે એ અહંકાર થયો ને ? દાદાશ્રી : હા, પણ એ પેલો ડિસ્ચાર્જ અહંકાર છે. અહંકારને આપણે જાણી લેવો જોઈએ અને ૭ એ પણ જાણવું જોઈએ કે આ શેના આધારે ચાલે છે ? છતાં હજુ પાછો એનો ભાવ અવળો રહે છે કે મારે લીધે ચાલે છે ! એટલે આવો પ્રયોગ કરીએ ને, તો એ બધું બહાર નીકળી જાય ! આ તો છોકરો આપણને કહે, 'હું તારો બાપ છું.' તો તે ઘડીએ આપણને એમ હોય કે, 'એ જ બોલે છે.' તો આપણને રીસ ચઢે અને ક્યારે છોકરો 'શું બોલશે ?' તે કહેવાય નહીં. એટલે ૮ વાણી રેકર્ડ છે, તે બોલનારની એની શક્તિ નથી, આપણીય શક્તિ નથી. ૯ આ તો પારકી વસ્તુ ફેંકાઈ જાય છે, એવી જાગૃતિ રહેવી જોઈએ. એવી રીતે આગળ વધતાં વધતાં તો ૧૦ કોઈ 'નગીનભાઈ'ની હું વાત કરું, તો તે ઘડીએ મને એ 'શુદ્ધાત્મા' છે એવો મહીં ખ્યાલ જ રહેવો જોઈએ. કોઈ પુસ્તક વાંચતા હોઈએ ત્યારે તેમાં 'મંગળાદેવીએ આમ કર્યું ને મંગળાદેવીએ તેમ કર્યું.' તો તે વખતે મંગળાદેવીનો આત્મા દેખાવો જોઈએ. આ પ્રકારે જેટલું થાય એટલું કરવું. એવું નહીં કે આજે ને આજે જ પૂરું કરી લેવું. આમાં 'ક્લાસ' લાવવાનો નથી. પણ 'પોસિબલ' કરવું જ. ધીમે ધીમે બધા જોડે શુદ્ધ પ્રેમસ્વરૂપ થવાનું છે. પ્રશ્નકર્તા : શુદ્ધ પ્રેમસ્વરૂપ એટલે કેવી રીતે રહેવું ? દાદાશ્રી : ૧૧ કોઈ માણસ હમણાં ગાળ ભાંડીને ગયો અને પછી તમારી પાસે આવ્યો તોય તમારો પ્રેમ જાય નહીં, એનું નામ શુદ્ધ પ્રેમ. ફૂલ ચઢાવે તોય વધે નહીં. વધે-ઘટે એ બધી આસક્તિ. જ્યારે વધે નહીં, ઘટે નહીં, એનું નામ શુદ્ધ પ્રેમ. તત્ત્વ દ્રષ્ટિએ જગ દીસે નિર્દોષ સદા પુદ્ગલને જોશો નહીં, ૧ પુદ્ગલ તરફ દ્રષ્ટિ ના કરશો. આત્મા તરફ જ દ્રષ્ટિ કરજો. કાનમાં ખીલા મારનારા તે પણ ભગવાન મહાવીરને નિર્દોષ દેખાયા. ૨ દોષિત દેખાય છે તે જ આપણી ભૂલ છે. એ એક જાતનો આપણો અહંકાર છે. આ તો આપણે વગર પગારના કાજી થઈએ છીએ અને પછી માર ખાઈએ છીએ. ૩ મોક્ષે જતાં આ લોકો આપણને ગૂંચવે છે, એવું જે બોલીએ છીએ તે તો વ્યવહારથી આપણે બોલીએ છીએ. આ ઈન્દ્રિય જ્ઞાનથી જે દેખાય છે એવું બોલીએ છીએ. પણ ૪ ખરેખર હકીકતમાં તો લોકો ગૂંચવી શકે જ નહીંને ! કારણ કે ૫ કોઈ જીવ કોઈ જીવમાં કિંચિત્માત્ર ડખોડખલ કરી શકે જ નહીં એવું આ જગત છે. ૬ આ લોકો તો બિચારા પ્રકૃતિ જે નાચ કરાવે તે પ્રમાણે નાચે, એટલે એમાં કોઈનો દોષ છે જ નહીં. ૭ જગત આખુંય નિર્દોષ છે. મને પોતાને નિર્દોષ અનુભવમાં આવે છે. તમને એ નિર્દોષ અનુભવમાં આવશે ત્યારે તમે આ જગતથી છૂટ્યા. નહીં તો કોઈ એક પણ જીવ દોષિત લાગશે ત્યાં સુધી તમે છૂટ્યા નથી. આખું સાયન્સ જ સમજવા જેવું છે. વીતરાગોનું વિજ્ઞાન બહુ ગુહ્ય છે. ''આ તો બહુ બહુ ઝીણું 'સાયન્સ' છે. અત્યાર સુધી આવું 'સાયન્સ' પ્રગટ નથી થયું. દરેક વાત તદ્દન નવી ડિઝાઈનમાં છે ને પાછું આખું 'વર્લ્ડ'ને કામ લાગે એવું છે.'' જય સચ્ચિદાનંદ |