કષાયથી આવરાયો મોક્ષમાર્ગ

સંપાદકીય

જગતના લોકો જીવનમાં સુખ, શાંતિ અને આનંદ પ્ર્રાપ્ત કરવા માટે પ્ર્રયત્નો તો કરે છે પણ સાચું સુખ કે આનંદ કેમ પ્ર્રાપ્ત થતો નથી ? જગત આખું કષાયમાં પડ્યું છે. કષાય એટલે ક્રોધ-માન-માયા-લોભ, એ બધી નબળાઈ છે. આત્માને પીડે એ બધા કષાય કહેવાય છે. લોકોને કષાય ગમતા નથી છતાંય કષાયોએ એમને ઘેરી લીધા છે. કષાયના તાબામાં જ બધા આવી ગયા છે. પછી જીવનમાં સાચો આનંદ કેમ કરીને પ્રાપ્ત થાય ?

કષાયની ગેરહાજરી તે જ આનંદ, જગત વિસ્મૃત કરાવે તેને જ આત્માનો આનંદ કહેવાય છે. રાગ-દ્વેષ અને કષાયથી આત્મા ઉપર આવરણ આવે ને આનંદ ચાલ્યો જાય. પોતાના કષાયો જ પોતાના દુશ્મન છે. બહાર બીજું કોઈ દુશ્મન છે જ નહીં. એ કષાય જ એને મારી રહ્યો છે. ખરેખર ગુનેગાર આપણા કષાય જ છે. મનુષ્યને કષાયોથી જ જીવનમાં તરફડાટ રહે છે અને એટલે જ સાચો આનંદ અનુભવાતો નથી.

વીતરાગો કષાયની મંદતાને ધર્મ કહ્યો છે અને સંપૂર્ણ કષાયરહિત દશાને મોક્ષ કહે છે. કષાયોનું કારણ ભ્રાંતિ છે અને સ્વરૂપની અજ્ઞાનતાથી ભ્રાંતિ ઉત્પન્ન થઈ ગઈ છે. 'હું કરું છું' અને 'હું જાણું છું' એ ભ્રાંતિથી ક્રોધ-માન-માયા-લોભ એ બધી નબળાઈ ઊભી થઈ ગઈ છે. કષાયોનો આધાર અહંકાર છે અને અહંકારને લીધે આ જગત ઊભું રહ્યું છે. જો અહંકાર જાય તો પછી આધાર ના રહેવાથી કષાયો પડી જાય છે.

અજ્ઞાનતાથી, અહંકારથી મુક્તિ એનું નામ મોક્ષ. જે પોતે મુક્ત થયા હોય તેનાથી જ મુક્તિ મળે. સર્વે કષાય-વિષયથી મુક્ત એવા જ્ઞાની પુરુષ જગત નિષ્ઠામાંથી ઊઠાડીને સ્વરૂપમાં બેસાડી દે અને બ્રહ્મનિષ્ઠ બનાવે ત્યારે જ કષાયથી મુક્તિ થાય. સાચું જ્ઞાન એને કહેવાય કે જે કષાયોને ઊડાડી મૂકે ! પણ પ્રશ્ન એ થાય કે આ કાળમાં એવું જ્ઞાન મળવું શું શક્ય છે ખરું ? આ કાળના આશ્ચર્ય સમ પરમ પૂજ્ય દાદા ભગવાનના જ્ઞાન થકી માત્ર બે જ કલાકમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને સાચા આનંદ-સુખની અનુભૂતિ થાય છે.

સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ પછી ચાર્જ કષાયો જાય છે, માત્ર ડિસ્ચાર્જ કષાયો રહે છે. તેનો આજ્ઞામાં રહી સમભાવે નિકાલ કરવાનો રહે છે. જેમ જેમ મડદાલ અહંકાર ઓગળતો જાય તેમ કષાય રહિતતા અનુભવાતી જાય અને સનાતન સુખ-આનંદ પ્રગટ થતા જાય.

પ્રસ્તુત સંકલનમાં પરમ પૂજ્ય દાદા ભગવાન ઉદ્બોધિત વાણીમાંથી કષાય કોને કહેવાય, કષાયનું કારણ, કષાયોનો ખોરાક, કષાયોના પ્રકાર, કષાયોથી મુક્તિ કેવી રીતે મળે અને કષાય સામે જાગૃતિપૂર્વક આજ્ઞા પાળી, સાચો આનંદ અને મુક્તિનું સુખ કેમ કરીને અનુભવી શકાય તેની સાચી સમજ પ્રાપ્ત થાય છે. જે સાધકને કષાયોની અસરથી મુક્ત થવાના પુરુષાર્થમાં સચોટ માર્ગદર્શન પૂરું પાડીને પ્રગતિના સોપાન સર કરાવે એ જ અભ્યર્થના.

દીપક દેસાઈ

કષાયથી આવરાયો મોક્ષમાર્ગ

સાચો આનંદ કઈ રીતે અનુભવાય ?

પ્રશ્નકર્તા : સાચા આનંદને કઇ રીતે અનુભવાય ?

દાદાશ્રી : સાચો આનંદ બાહ્ય કોઇ રીતે અનુભવાય નહીં. આ લૌકિક આનંદ માટે ઇન્દ્રિયોની જરૂર ખરી, પણ સાચા આનંદ માટે ઇન્દ્રિયોની જરૂર નથી. ઊલટું ઇન્દ્રિયો અંતરાય કરે. સાચો આનંદ તો શાશ્વત આનંદ છે. કોઇ પણ વસ્તુનો આધાર હોય તો તે પૌદ્ગલિક આનંદ છે. આધાર એટલે કોઇ વસ્તુ મળે, વિષયોની વસ્તુ મળે, માન-તાન મળે, લોભનો લાભ થાય, એ બધા કલ્પિત, પૌદ્ગલિક આનંદ ! જગત વિસ્મૃત કરાવડાવે એનું નામ આનંદ, અને એ જ આત્માનો આનંદ. આનંદ તો નિરુપાય આનંદ હોવો જોઇએ, મુક્ત આનંદ હોવો જોઇએ.

મહીં ભરપટ્ટે આનંદ જીવમાત્રને ભરેલો પડ્યો જ છે, પણ એ આત્માનો આનંદ આવતો બંધ થઇ ગયો છે. કષાય, ક્લેશ, રાગદ્વેષ થાય તેનાથી આત્મા પર આવરણ આવે ને આનંદ ચાલ્યો જાય. ગાયના શિંગડા પર રાઇનો દાણો મૂકે ને જેટલી વાર ટકે એટલી જ વાર જો આત્માનો આનંદ ચાખે તો એ પછી જાય નહીં, એક ફેરો દ્ષ્ટિમાં બેસી ગયો માટે. સાચો આનંદ એકધારો રહે, બહુ તૃપ્તિ રહે. એ આનંદનું વર્ણન ના થાય.

ક્રોધ-માન-માયા-લોભની ગેરહાજરી તે જ આનંદ. સંસારી આનંદ આવે છે એ મૂર્છાનો આનંદ છે, બ્રાન્ડી (દારૂ) પીધા જેવો. જગતે આનંદ જોયો જ નથી. જે જોયું છે તે તિરોભાવી આનંદ જોયો છે. આનંદમાં થાક ના હોય, કંટાળો ના હોય. કંટાળો આવે એનું નામ થાક.

અહીં જ્ઞાની પાસે સાચો આનંદ પ્રાપ્ત થાય છે. તેનાથી કેટલાય અવતારના પડેલા ઘા રૂઝાઇ જાય છે. સંસારના ઘા તો રૂઝાય જ નહિ ને ! એક ઘા રૂઝાવા માંડ્યો ત્યાં બીજા પાંચ પડ્યા હોય ! આત્માના આનંદથી મહીં બધા જ ઘા રૂઝાઇ જાય, તેની મુક્તિ વર્તે !

સુખનું શોધન

પ્રશ્નકર્તા : હું પણ આત્માને ખોળું છું.

દાદાશ્રી : આત્માને કોઈક જ માણસ ખોળી શકે. બધા જીવો કંઈ આત્માને ખોળતા નથી. આ બધા જીવો શું ખોળે છે ? સુખને ખોળે છે. દુઃખ કોઈ જીવને ગમતું નથી. નાનામાં નાનું જીવડું હોય કે મનુષ્ય હોય કે સ્ત્રી હોય, દુઃખ કોઈને ગમતું નથી. હવે આ બધાંને સુખ તો મળે છે પણ કોઈને સંતોષ નથી, એનું શું કારણ હશે ?

આ સુખ એ સાચું સુખ ન હોય. એક વખત સુખ સ્પર્શી ગયું પછી દુઃખ ક્યારેય પણ ના આવે એનું નામ સુખ કહેવાય. એવું સુખ ખોળે છે ! મનુષ્ય અવતારમાં એને (કારણ) મોક્ષ કહેવાય. પછી કર્મો પૂરાં થાય કે (કાર્ય) મોક્ષ થઈ ગયો ! પણ પહેલો મોક્ષ અહીં થઈ જ જવો જોઈએ.

કષાય ન થવા જોઈએ. કષાય તને થાય છે કે ?

પ્રશ્નકર્તા : થાય છે.

દાદાશ્રી : કષાય તને બહુ ગમે છે, ખરું ?

પ્રશ્નકર્તા : ગમતાં તો નથી પણ થાય છે.

દાદાશ્રી : કષાય એ જ દુઃખ છે ! આખું જગત કષાયમાં જ પડ્યું છે. લોકોને કષાય ગમતાં નથી પણ છતાંય કષાયોએ એમને ઘેરી લીધાં છે. કષાયના તાબામાં જ બધાં આવી ગયાં છે. એટલે એ બિચારાં શું કરે ? ગુસ્સો ઘણોય ના કરવો હોય તો પણ થઈ જાય.

કષાયો કોને કહેવાય ?

પ્રશ્નકર્તા : કષાય એ શું છે ?

દાદાશ્રી : આત્માને પીડે એ બધા કષાય.

કષાયો એટલે મહીં આત્માને (પ્રતિષ્ઠિત આત્માને) દુઃખ થયા કરે, અજંપો થયા કરે તે. રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા-લોભ એ બધું દુઃખ દેનારી વસ્તુ છે. એને જ કષાય કહેવાય.

પ્રશ્નકર્તા : રાગથી પીડા થતી નથી છતાંય રાગને કષાય કેમ કહ્યો ?

દાદાશ્રી : રાગથી પીડા ના થાય, પણ રાગ એ કષાયનું બીજ છે. એમાંથી મોટું ઝાડ ઉત્પન્ન થાય !

રાગ એ બીજ નાખ્યું, ત્યાંથી પછી એનું પરિણામ આવશે. એનું પરિણામ શું આવશે ? કષાય. દ્વેષ એ કષાયની શરૂઆત છે. એટલે પરિણામ આવશે તે દહાડે દ્વેષ ઉત્પન્ન થશે. અત્યારે તો રાગ છે એટલે મીઠું લાગે.

કષાયોનો આધાર

પ્રશ્નકર્તા : આ કષાય શેના આધારે છે ?

દાદાશ્રી : અજ્ઞાનના આધારે છે.

અજ્ઞાનતા જ આ બધાનું 'બેઝમેન્ટ' છે. અજ્ઞાનતા ગઈ કે બધો ઉકેલ આવ્યો. અજ્ઞાનતા અમારા સમજાવવાથી જાય. અજ્ઞાન જાય એટલે કષાય પડવા માંડે, એટલે રાગ-દ્વેષ પડવા માંડ્યા. પછી પ્રકૃતિ પડવા માંડે. છે ને સહેલો રસ્તો ?

જ્યાં સુધી અહંકાર છે, 'હું જ છું, હું જ છું', ત્યાં સુધી ક્રોધ-માન-માયા-લોભ એકુય પડે નહીં.

અહંકારનો જ ડખો છે. અહંકારને લીધે જ આ જગત ઊભું રહ્યું છે. ક્રોધ-માન-માયા-લોભ અહંકારના આધીન છે. અહંકાર ના હોય તો એ ક્રોધ-માન-માયા-લોભ છે, તોય નથી. કારણ કે એનો આધાર અહંકાર છે અને અહંકારેય છે તે આધારી વસ્તુ છે. એનું રૂટ કૉઝ અજ્ઞાનતા છે. પણ અજ્ઞાનતા તો જાણે છે જ, આખી દુનિયામાં પ્રસરેલી. માટે ક્રોધ-માન-માયા-લોભનો આધાર શું ? અહંકાર. જગતનો આધાર કોણ ? અહંકાર ! અહંકાર કાઢી લે તો ક્રોધ-માન-માયા-લોભ કશું કરનાર નથી. બધાં મડદાલ થઈ ગયાં.

એટલે આ જ્ઞાન મળ્યા પછી અજ્ઞાન ગયું, એટલે અહંકાર ગયો. તેથી ક્રોધ-માન-માયા-લોભ ના થાય, અગર થતાં હોય તેને 'આપણે' દેખીએ. આપણે દેખ્યા એટલે આપણને થતાં નથી. કારણ કે જોનારને થાય નહીં. આ બહાર હોળી સળગતી હોય તો આંખો દાઝે ખરી ? એટલે જોનાર દાઝે નહીં. અને આ અહંકાર જેને થાય છેને, તે તો ક્રોધ-માન-માયા-લોભ જોડે હોય, એ તો આંખો હઉ દાઝે. કારણ કે ત્યાં જોનાર નથી. પોતે અહંકારનો કર્તા છે.

પ્રશ્નકર્તા : જોનાર થાય તો જુદો પડી જાય ?

દાદાશ્રી : હા, જુદો પડી જાય. મન ક્રોધે ભરાયું હોય તેની મહીં અહંકાર ભળે ત્યારે એ ક્રોધ કહેવાય, નહીં તો ગુસ્સો જ કહેવાય. આપણે 'બધા'નો અહંકાર કાઢી લીધો. 'આ' લોકો (મહાત્માઓ)ને ક્રોધ-માન-માયા-લોભ કશું કરે નહીં. નોધારા થઈ ગયાને, ને આધાર વગરનું થાય પછી પડી જાય.

કષાયો જ પોતાના દુશ્મન

પોતાના કષાય જ પોતાના દુશ્મન છે. બીજું કોઈ બહાર દુશ્મન છે જ નહીં. અને એ કષાય જ એને મારી રહ્યા છે. એને બહારનો કોઈ મારતો નથી. ખરેખર ગુનેગાર આપણા કષાય છે.

મનુષ્યોને આ ક્રોધ-માન-માયા-લોભ એક ક્ષણવાર જંપીને બેસવા ના દે. નિરંતર તરફડાટ, તરફડાટ, તરફડાટ ! એવું તમે જોયેલું ? આ માછલું તરફડે ખરું ? પાણીની બહાર કાઢીએ ત્યારે માછલું તરફડે, એવું આ મનુષ્યો વગર બહાર કાઢ્યે તરફડે છે. ઘરમાં હોય તોય તરફડાટ, ઓફિસમાં જાય તોય તરફડાટ, આખો દહાડો તરફડાટ ! હવે એ તરફડાટ મટી જાય તો કેટલો આનંદ રહે ! જો, અમારે તરફડાટ મટી ગયો છે તો કેવી કેવી વાતો નીકળે છે ને ! જગત આખાને તરફડાટ, તરફડાટ, તરફડાટ રહ્યા કરવાનો. આમને તો સારું જમવાનું હોય તોય ખાતી વખતે પણ મહીં તરફડાટ બંધ નથી થતો. બોલો, શી રીતે જીવાય છે એય અજાયબી છે ને ?

કષાયોનું કારણ, ભ્રાંતિ

હવે જ્યાં સુધી માણસને ભ્રાંતિ છે, ત્યાં સુધી પેલું વિનાશી અને અવિનાશી એક રૂપે વર્તે. એક રૂપે વર્તે ત્યારે શું કરે ? 'આ જાણું છું હું અને આ કરું છું હું' એવું બોલે. એટલે બન્નેના ધર્મો ભેગા બોલે, વિનાશીના ધર્મો અને અવિનાશીના ધર્મો બન્ને ભેગું બોલે અને ભેગું બોલે, એનું નામ જ ભ્રાંતિ ! પછી 'હું જ ચંદુભાઈ છું' એવું બોલે. 'પોતે' અવિનાશી હોવા છતાંય પણ 'પોતે' 'હું જ ચંદુભાઈ છું' એવું બેભાનપણાથી બોલે છે. એનું કારણ શું ? કે અવિનાશી અને વિનાશી બે એકત્ર થઈ ગયું છે, એકાકાર થઈ ગયું છે. એટલે એકાકારથી આ ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે. અને આ ભ્રાંતિમાં તો શું કરે છે ? 'જાણું છું હું અને કરું છું હું', એટલે પછી આ ક્રોધ-માન-માયા-લોભ બધી નબળાઈઓ ઊભી થઈ ગઈ છે.

જ્યાં ક્રોધ-માન-માયા-લોભ છે ત્યાં કશું જ જાણ્યું નથી, ત્યાં બધી નિર્બળતાઓ જ છે. જાણ્યું તો તેનું નામ કે બધી નિર્બળતાઓ જાય.

પ્રશ્નકર્તા : પણ એ ભ્રાંતિ તો અવિનાશીની જ બનાવેલી છે ને ?

દાદાશ્રી : કોઈએ બનાવેલી નથી, અવિનાશી બનાવે નહીં આ. આ ભ્રાંતિ તો વૈજ્ઞાનિક કારણોથી ઊભી થઈ ગયેલી છે. બાકી કોઈ ભ્રાંતિ બનાવે નહીં.

સામ્રાજય કોનું ?

પ્રશ્નકર્તા : એ વ્યક્તિમાં વિનાશી અને અવિનાશી બન્ને સાથે હોય, તો જે વર્તન કરતા હોય એ તો અવિનાશીનું જ હોય ને ? કારણ કે અવિનાશીનું જ સામ્રાજ્ય ચાલે છે ને ?

દાદાશ્રી : સામ્રાજ્ય અવિનાશીનું છે જ નહીં બિલકુલેય ! વર્તનેય અવિનાશીનું નથી. આ તો સામ્રાજ્ય જ આખું વિનાશીનું છે. એટલાં માટે અમે વિનાશી ને આ અવિનાશી, એમ બે ભાગ જુદા પાડી આપીએ. પાપો ભસ્મીભૂત કરીએ તો એ બે ભાગ જુદા પડે, તો પછી બન્ને છૂટાં પડી જાય. પછી આત્મા જ્ઞાતા-દ્રષ્ટા રહે. એટલે અવિનાશી એના મૂળ સ્વભાવમાં આવી જાય અને વિનાશી જે છે એ આ ક્રિયામાં રહે. આ વિનાશીને જાણવાનો સ્વભાવ નથી. લાગણીનો કે એવો કોઈ સ્વભાવ આ વિનાશીમાં નથી. પછી વિનાશી છે તે આ ક્રિયાઓમાં રહે અને અવિનાશી જ્ઞાતા-દ્રષ્ટા રહે, બેઉ પોતપોતાના સ્વભાવમાં રહે.

યથાર્થ નિષ્કામ કર્મ

પ્રશ્નકર્તા : નિષ્કામ કર્મમાં કેમ કરીને કર્મ બંધાય ?

દાદાશ્રી : 'હું ચંદુભાઈ છું' કરીને નિષ્કામ કર્મ કરવા જાઓ એટલે 'બંધ' જ છે. નિષ્કામ કર્મ કરવાથી આ સંસાર સારી રીતે ચાલે. ખરી રીતે નિષ્કામ કર્મ 'પોતે કોણ છે' એ નક્કી થયા સિવાય થઇ જ ના શકે. જ્યાં સુધી ક્રોધ-માન-માયા-લોભ હોય ત્યાં સુધી નિષ્કામ કર્મ શી રીતે થઇ શકે ?

પોતે જ માને છે કે 'આ હું નિષ્કામ કર્મ કરું છું'. તેમાં ખરી રીતે એનો કર્તા બીજો જ છે. જે જે જાતની ક્રિયા થાય છે એ બધું 'ડિસ્ચાર્જ' છે. 'હું નિષ્કામ કર્મ કરું છું' એવું માને છે, એ જ બધું બંધન છે. નિષ્કામ કર્મનો કર્તા છે ત્યાં સુધી બંધન છે.

એ નિષ્કામ કર્મ કોને કહેવાય ? આપણા ઘરની આવક આવે છે. જમીનની આવે છે, તે ઉપરાંત આ છાપખાનું કરાવ્યું એમાંથી મળશે. આમ બાર મહિને વીસ-પચ્ચીસ હજાર મળે એવું ધારીને કરવા જઇએ, ને પછી પાંચ હજાર મળ્યા તો વીસ હજાર ખોટ ગઇ લાગે. અને ધારણા જ ના બાંધી હોય તો ? નિષ્કામ કર્મ એટલે એના આગળનાં પરિણામ ધાર્યા વગર કર્યે જાવ. કૃષ્ણ ભગવાને બહુ સુંદર વસ્તુ આપી છે, પણ કોઇથી એ બની શકે નહીં ને ! માણસનું ગજુ નહીં ને ! આ નિષ્કામ કર્મને યથાર્થ સમજવું મુશ્કેલ છે. તેથી તો કૃષ્ણ ભગવાને કહેલું કે મારી ગીતાનો સૂક્ષ્મતમ અર્થ સમજનારો કોઇક એકાદ જ હશે !

શાંતિ મળે સાચા ઉપદેશકથી

પ્રશ્નકર્તા : જીવનમાં શાંતિ જોઈએ, તો એ શાંતિ કઈ રીતે મળે ?

દાદાશ્રી : ઉપદેશક સાચો મળે તો. સાચો ઉપદેશક કોને કહેવાય ? જેનામાં અશાંતિ હોય જ નહીં. બિલકુલેય ક્રોધ-માન-માયા-લોભની નબળાઈ ના હોય, જે પૈસા લેતા ના હોય, વિષય અને લક્ષ્મી સંબંધી વિચાર ના હોય, ત્યાં સાચી શાંતિ મળે. બીજી જગ્યાએ શાંતિ હોય જ કેવી રીતે ?

શાંતિ વધે, ક્લેશ થાય નહીં, એનું નામ ધર્મ કહેવાય. આટલો આટલો ધર્મ કરે છે તોય ક્રોધ-માન-માયા-લોભ, એ નબળાઈ એટલી ને એટલી જ રહે છે. તમને કેમ લાગે છે ? અશાંતિ ઓછી ના થવી જોઈએ ? સાબુ ઘાલીને કપડાંનો મેલ ઓછો ના થાય ? એટલે આ (સાચો) માર્ગ ન હોય.

કષાય નિવારે તે ધર્મ

કષાય ભાવ ઓછા થાય એવા નથી, વધે એવા છે. એ પોતાની મેળે ઓછા કરવાથી થાય નહીં, પણ ધર્મથી જ ઓછા થાય. ધર્મ ક્યાંથી પ્રાપ્ત થવો જોઇએ ? 'જ્ઞાની પુરુષ' પાસેથી; સહી-સિક્કાવાળો ધર્મ હોવો જોઇએ. 'જ્ઞાની પુરુષ'ના પછી બે શબ્દોય વાપરવા માંડ્યા કે જે શબ્દો વચનબળવાળા હોય, મહીં બળ આપનારા હોય, જાગૃતિ રખાવનારા હોય; તે શબ્દો આવરણો ભેદીને મહીંની શક્તિઓ પ્રગટ કરે.

પરિણામ પામે તે ધર્મ

ધર્મ કોને કહેવાય ?

જે ધર્મ થઇને પરિણામ પામે તે ધર્મ. એટલે કે મહીં પરિણામ પામીને કષાય ભાવોને (ક્રોધ-માન-માયા-લોભ) ઓછા કરે.

પરિણામ પામે તે ધર્મ અને પરિણામ ના પામે તે અધર્મ.

પરિણામ શું પામે ? ત્યારે કહે, કષાય ભાવોને હળવા કરે, ઓછા કરે, હલકા-પાતળા કરે અને જેમ તે કષાય ભાવો ઓછા થતા જાય તેમ પોતાની શક્તિ, આનંદ વધતાં જાય. પોતાની બધી શક્તિ માલૂમ પડે કે ઓહોહો ! મહીં પોતાની કેવી શક્તિ છે ! આટલી બધી પોતામાં શક્તિ ક્યાંથી આવી ? એટલે ધર્મ એનું નામ કહેવાય. નહીં તો આ ભમરડો તો એવો ને એવો જ હોય, નાનપણથી તે ઠેઠ નનામી કાઢે ત્યાં સુધી એવો ને એવો જ હોય, તો એને ધર્મ શી રીતે કહેવાય ?

ધર્મ થઇને પરિણામ પામે. ત્યારે પરિણામ શું પામવાનું ? વ્રત, નિયમ, તપ કરતાં શીખે એ ? ના, એ ન હોય પરિણામ. ક્રોધ-માન-માયા-લોભ-કષાયોનું નિવારણ કરે એનું નામ ધર્મ અને અધર્મ તો કષાયો વધારે. ત્યારે કેટલાક કહે છે ને કે રોજ (લૌકિક) સામાયિક, પ્રવચન, ધ્યાન કરે છે ને ? શું એ ધર્મ નથી? ભગવાન કહે છે કે ના, એ ધર્મ ન હોય. ધર્મ (આવી) સામાયિક વગેરેમાં નથી, ધર્મ તો પરિણામ પામે તેમાં છે. ધર્મ તો કષાય ભાવોનું નિવારણ કરે તે. કષાય ભાવો તો દાબ્યા દબાવાય નહીં કે એમને છોલ છોલ કરે, રંધો માર માર કરે તોય કશું વળેનહીં.

ધર્મ પૂરેપૂરો પરિણામ પામે ત્યારે 'પોતે' જ ધર્મસ્વરૂપ થઇ જાય !

તુર્ત ફળે તે ધર્મ

ધર્મ તો કોને કહેવાય ? જે તરત ફળ આપે. તરત ફળ આપનારો હોય તો જ ધર્મ, નહીં તો અધર્મ. આ ક્રોધ તરત જ ફળ આપે છે ને ? જેમ અધર્મ તરત ફળ આપે છે, તેમ ધર્મનું ફળ પણ તરત જ મળવું જોઇએ. સ્વરૂપનું અજ્ઞાન ગયું નથી ત્યાં સુધી જો સાચો ધર્મ કરે તોય એના ઘરમાં ક્લેશ ના થાય. જ્યાં કષાય છે ત્યાં ધર્મ જ નથી. કષાય છે ત્યાં લોકો ધર્મ ખોળે છે, તે જ અજાયબી છે ! લોકોને પરીક્ષા કરવાનું ગજું જ નથી. સમ્યક્ દર્શન પ્રાપ્ત થયા પછી એને સંસાર ગમે જ નહીં. તેથી જ સમ્યક્ દર્શન શું કહે છે કે, 'મને પ્રાપ્ત કર્યા પછી તારે મોક્ષે જવું જ પડશે ! માટે મને સેવતા પહેલાં વિચાર કરજે.' તેથી તો કવિએ ગાયું છે ને કે,

' જેની રે સંતો, કોટિ જન્મોની પુણ્યૈ જાગે,

તેને રે સંતો, દાદાનાં દર્શન થાયે રે,

ઘટમાં એને ખટકારો ખટ ખટ વાગે રે.'

ખટકારો એટલે શું કે એક વખત 'દાદા'ને ભેગો થયો તો પછી ફરી અહીં દર્શન કરવાનું મન થયા કરે. એથી અમે કહીએ છીએ કે, 'જો તારે પાછા જવું હોય મને ભેગો થઇશ નહીં અને ભેગો થયો એટલે તારે મોક્ષે જવું પડશે ! જો તારે ચાર ગતિમાં જવું હોય તો તેય આપું. અહીં તો મોક્ષનો સિક્કો વાગી જાય એટલે મોક્ષે જવું જ પડે.' અમે તો તમને કહીએ છીએ કે અહીં ફસાશો નહીં અને ફસાયા પછી નીકળી શકશો નહીં.

કષાયનો અભાવ એ વીતરાગ ધર્મ

કષાય કરવા માટેનો આ ધર્મ નથી. આ રિયલ ધર્મ છે. કષાયનો અભાવ કરવાનાં માટેનો આ ધર્મ છે. કષાયનો અભાવ એ વીતરાગ ધર્મ કહેવાય છે. અને કષાયની જ્યાં હાજરી હોય, જ્યાં કષાયનું વાતાવરણ હોય ત્યાં રિલેટિવ ધર્મ કહેવાય. એટલે ધર્મમાં ભૌતિક સુખો આપે એ પણ મોક્ષ સુખ ન મળે, પોતાનો આનંદ ના મળે.

અજ્ઞાનથી મુક્તિ એ મોક્ષ

પ્રશ્નકર્તા : મોક્ષ કે મુક્તિ કોને કહેવાય ?

દાદાશ્રી : મોક્ષ અને મુક્તિ એ નજીકના જ શબ્દો છે. એક જ માના બે છોકરા છે.

જો સર્વ કર્મોથી મુક્તિ જોઇતી હોય, આખો મોક્ષ જોઇતો હોય તો પહેલી મુક્તિ અજ્ઞાનથી થવી જોઇએ. એટલે તમે અજ્ઞાનથી જ બંધાયેલા છો. જો અજ્ઞાન જાય તો બધું સરળ થઇ જાય, શાંતિ થાય, દિવસે દિવસે આનંદ વધતો જાય અને કર્મથી મુક્તિ થાય.

કોઇ કહે કે, 'તમારા ક્રોધ-માન-માયા-લોભ કાઢી નાખો.' ત્યારે આપણે કહીએ, 'સાહેબ, એ તો હુંય જાણું છું. પણ એવું કંઇક કહો કે જેથી મારા ક્રોધ-માન-માયા-લોભ જાય.' આમ ને આમ ચલાવ્યા કરીએ તેનો શો અર્થ ? વચનબળવાળા પુરુષની પાસે જઇએ, ચારિત્ર્યબળવાળા પુરુષની પાસે જઇએ એટલે ક્રોધ-માન-માયા-લોભને જવું પડે. નબળા માણસથી તેની નબળાઇઓ જાતે જતી હોય તો પછી જબરા માણસનું શું કામ છે ?

લોકો ધર્મનું સાંભળવા જાય છે એને શ્રુતજ્ઞાન કહે છે. પણ શ્રુતજ્ઞાન તો એનું નામ કહેવાય કે એ સાંભળ્યા પછી આપણો રોગ એની મેળે નીકળે.

મોક્ષપ્રાપ્તિનો માર્ગ

પ્રશ્નકર્તા : મોક્ષ કેવી રીતે મળે ?

દાદાશ્રી : એની રીત ના હોય. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન જતાં રહે એટલે મોક્ષ મળે.

પ્રશ્નકર્તા : તો પણ મોક્ષ મેળવવાનો રસ્તો કયો હશે ? કોની પાસેથી મોક્ષ મળી શકે ?

દાદાશ્રી : મોક્ષ તો એકલા 'જ્ઞાની પુરુષ' પાસેથી જ મળે. જે મુક્ત થયા હોય તે જ આપણને મુક્ત કરી શકે. પોતે બંધાયેલો બીજાને કઇ રીતે છોડી શકે ? એટલે આપણે જે દુકાને જવું હોય તે દુકાને જવાની છૂટ છે. પણ ત્યાં પૂછવું કે, 'સાહેબ, મને મોક્ષ આપશો ?' ત્યારે કહે કે, 'ના, મોક્ષ આપવાની અમારી તૈયારી નથી.' તો આપણે બીજી દુકાન, ત્રીજી દુકાને જવું. કોઇ જગ્યાએ આપણને જોઇતો માલ મળી આવે. પણ એક જ દુકાને બેસી રહીએ તો ? તો પછી અથડાઇ મરવાનું. અનંત અવતારથી આવું ભટક ભટક કરવાનું કારણ જ આ છે કે આપણે એક જ દુકાને બેસી રહ્યા છીએ, તપાસેય ના કરી. 'અહીં બેસવાથી આપણને મુક્તિનો અનુભવ થાય છે કે નહીં ? આપણાં ક્રોધ-માન-માયા-લોભ ઘટ્યાં ?' એય ના જોયું.

પૈણવું હોય તો તપાસ કરે કે કયું કુળ છે, મોસાળ ક્યાં છે ? બધું 'રિયલાઇઝ' કરે (ચકાસે). પણ આમાં 'રિયલાઇઝ' નથી કરતા. કેવડી મોટી 'બ્લંડર' (ભૂલ) કહેવાય આ !

પ્રશ્નકર્તા : વીતરાગ દશા પામવા માટે સહુથી પ્રથમ પગથિયું કયું?

દાદાશ્રી : સાચું તો મોક્ષે જવાનું છે.

પ્રશ્નકર્તા : મોક્ષ તો પછી મળે ને ?

દાદાશ્રી : અત્યારે દેહનો મોક્ષ નથી પણ આત્માનો મોક્ષ તો છે ને ! આ કાળને લઇને આ ક્ષેત્રેથી દેહનો મોક્ષ અટક્યો છે પણ આત્માનો મોક્ષ તો થાય ને ?

પ્રશ્નકર્તા : હા, થાય.

દાદાશ્રી : ત્યારે એટલું થઇ જાય તોય બહુ થઇ ગયું.

પ્રશ્નકર્તા : મોક્ષ મેળવવા શું કરવું ? આપ ઉપાય બતાવો.

દાદાશ્રી : હું તમને ઉપાય બતાવું, પણ તે તમારાથી થશે નહીં. ઘેર જઇને ભૂલી જશો. આ કાળમાં લોકોની એટલી સ્થિરતા ના હોય. એનાં કરતાં અમારી પાસે આવજો, એક કલાકમાં જ તમને રોકડો મોક્ષ આપી દઇશું. પછી તમારે કંઇ જ કરવાનું નહીં. ફક્ત અમારી આજ્ઞામાં રહેવાનું.

સદ્ગુરુની પિછાણ કઈ ?

પ્રશ્નકર્તા : સદ્ગુરુની પિછાણ કઇ ?

દાદાશ્રી : સદ્ગુરુ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ હોય. શાસ્ત્રમાં વાંચી ના હોય, ક્યાંય સાંભળી ના હોય છતાં અનુભવમાં આવે એવી જેની અપૂર્વ વાણી હોય !

પ્રશ્નકર્તા : આ જ સદ્ગુરુ છે તે કેમ કહેવાય ?

દાદાશ્રી : અહીં ઠંડક વળે તો જાણવું કે આ સદ્ગુરુ છે.

પ્રશ્નકર્તા : સદ્ગુરુનાં લક્ષણ શું ?

દાદાશ્રી : કષાય - ક્રોધ-માન-માયા-લોભ રહિત પરિણામ !

પ્રશ્નકર્તા : આ કાળમાં સદ્ગુરુ ક્યાં ક્યાં બિરાજે છે ?

દાદાશ્રી : આ આપની સમક્ષ બિરાજે છે.

પ્રશ્નકર્તા : સદ્ગુરુ પામવા શું કરવું જોઇએ ?

દાદાશ્રી : પરમ વિનય.

પ્રશ્નકર્તા : સમ્યક્ત્વ, બીજજ્ઞાન અથવા બોધબીજ એ ધર્મનાં મૂળ ગણાય તો તેની પ્રાપ્તિ શેના થકી થાય ?

દાદાશ્રી : કષાયરહિત સદ્ગુરુથી !

પ્રશ્નકર્તા : ધર્મની ઉત્પત્તિ એટલે કે ધર્મ શાથી થાય ?

દાદાશ્રી : કષાયરહિત સદ્ગુરુથી.

પ્રશ્નકર્તા : કઇ ક્રિયાથી અથવા શું કરવાથી ધર્મ થાય ?

દાદાશ્રી : જ્ઞાનક્રિયા ને દર્શનક્રિયાથી ધર્મ થાય.

પ્રશ્નકર્તા : ધર્મનું સાધન શું ? ધર્મ કોને કહેવાય ?

દાદાશ્રી : ધર્મનું સાધન ઉપાદાન જાગૃત જોઇએ અને ધર્મ કોને કહેવાય ? પોતાના કષાય ઘટી જાય તો જાણવું કે ધર્મ ઉત્પન્ન થયો. કષાય ઘટે તો જાણવું કે ધર્મ થયો.

પ્રશ્નકર્તા : કઇ રીતે ધર્મમાં સ્થિર થવાય ?

દાદાશ્રી : ઉપાદાન જાગૃત કરવાથી સ્થિર થવાય.

પ્રશ્નકર્તા : મોક્ષનો સરળ ઉપાય શો ?

દાદાશ્રી : કષાય રહિત 'જ્ઞાની પુરુષ'ની સેવાથી મોક્ષમાર્ગ સરળ થાય.

પ્રશ્નકર્તા : કયા કયા સાધનથી મોક્ષ થાય ?

દાદાશ્રી : જ્ઞાનથી મોક્ષ થાય. સદ્જ્ઞાનથી, આત્મજ્ઞાનથી મોક્ષ થાય.

ક્યાં સુધીની કચાશ નભાવાય ?

પ્રશ્નકર્તા : ગુરુની ગતિ ગહન હોય છે, એટલે એનો પૂર્વ પરિચય થાય ત્યારે સમજણ પડે. નહીં તો બાહ્ય આડંબરથી ખબર ના પડે.

દાદાશ્રી : દસ-પંદર દહાડા જોડે રહો ત્યારે ચંચળતા માલમ પડે અને જ્યાં સુધી એ ચંચળ છે ને, ત્યાં સુધી આપણો દહાડો વળે નહીં. એ અચળ થયેલો હોવો જોઈએ.

બીજું, એમનામાં ક્રોધ-માન-માયા-લોભનું કંઈ પણ પરમાણુ ના રહેવું જોઈએ અગર તો થોડુંક કંઈક અંશે ઘટેલું હોય તો ચલાવી લેવાય. પણ એકદમ જોશબંધ હોય તો પછી આપણામાંય છે ને એનામાંય છે, પછી આપણી પાસે શું આવ્યું ? એટલે જે કષાયના ભરેલા છે, એમને ગુરુ કરાય નહીં. જરાક સળી કરો ને ફેણ માંડે, તો એને ગુરુ તરીકે રખાય નહીં. જે અકષાયી હોય અગર તો મંદ કષાયવાળો હોય, તો એ ગુરુ રખાય. મંદ કષાય એટલે વાળી લેવાય એવી દશા હોય, પોતાને ક્રોધ આવતાં પહેલાં ક્રોધ વાળી લે, એટલે પોતાના કંટ્રોલમાં આવેલા હોવા જોઈએ. તો એવા ગુરુ ચાલે. જ્યારે જ્ઞાની પુરુષમાં તો ક્રોધ-માન-માયા-લોભ હોય જ નહીં, એ પરમાણુ જ ના હોય. કારણ કે પોતે છૂટા રહે છે, આ દેહથી-મનથી-વાણીથી બધાંથી છૂટા રહે છે !

કષાય જાય જ્ઞાન થકી

પ્રશ્નકર્તા : ક્રોધ-માન-માયા-લોભને છોડવાનો રસ્તો, એ જ્ઞાન જ છે ? અને એ જ્ઞાન આ કાળને માટે સમન્વિત છે ?

દાદાશ્રી : સાચું જ્ઞાન તો એનું નામ કહેવાય કે જે ક્રોધ-માન-માયા-લોભને ઊડાડી મૂકે.

પ્રશ્નકર્તા : એ પ્રાપ્ત કેમ કરવું ?

દાદાશ્રી : એ જ જ્ઞાન અહીં તમને આપું છું. આ બધાને (જેમને જ્ઞાન પ્રાપ્ત થયું છે) ક્રોધ-માન-માયા-લોભ, બધું ઊડી જ ગયેલું છે.

પ્રશ્નકર્તા : હ્રદયની સરળતા આવવી એટલી સહેલી છે ?

દાદાશ્રી : સરળતા આવવી કે ના આવવી એ તો પૂર્વભવનો હિસાબ છે, એનું 'ડેવલપમેન્ટ' છે. જેમ સરળ થાય તેમ વધુ ઉત્તમ કહેવાય પણ એ 'ક્રમિક માર્ગ'નું છે. એમાં સરળ માણસ ધર્મને પામે પણ એમાં કરોડ અવતારેય મોક્ષનું ઠેકાણું ના પડે. ને આ 'અક્રમ વિજ્ઞાન' છે. આ એક જ અવતારી (થવાય એવું) જ્ઞાન છે. અને જો આ જ્ઞાનની આરાધના અમારી આજ્ઞાપૂર્વક કરવામાં આવે ને તો નિરંતર સમાધિ રહે ! તમે ડૉક્ટરની લાઈન(નો ધંધો) કરો તોય નિરંતર સમાધિ રહે. કશું જ નડશે જ નહીં ને અડશે નહીં. આ તો બહુ ઊંચું વિજ્ઞાન છે. તેથી કવિરાજ કહે છે કે દસ લાખ વર્ષે આવું થયું નથી, એવું આ થયું છે.

'આત્મપ્રાપ્તિ'ના લક્ષણો

પ્રશ્નકર્તા : મેં મારા આત્માને ઓળખ્યો હોય, તો મારામાં કયાં લક્ષણોની શરૂઆત થશે ? મારામાં કેવું પરિવર્તન થશે કે જેથી હું સમજી શકું કે હું એ રસ્તા ઉપર છું ?

દાદાશ્રી : પહેલું તો 'ઇગોઇઝમ' (અહંકાર) બંધ થઈ જાય. બીજું ક્રોધ-માન-માયા-લોભ જતાં રહે, તો જાણવું કે તમે આત્મા થઈ ગયા ! એવાં લક્ષણ તમને થયા છે ?

પ્રશ્નકર્તા : ના, એ તો હજુ નથી થયા.

દાદાશ્રી : એટલે એ લક્ષણો ઉત્પન્ન થાય તો પછી જાણવું કે તમે આત્મસ્વરૂપ થયા છો. અત્યારે તમે 'ચંદુભાઈ' સ્વરૂપ છો ! અત્યારે કોઈ બોલે કે, 'આ ડૉક્ટર ચંદુભાઈએ મારો કેસ બગાડ્યો.' એટલે તમને અહીં બેઠા બેઠા અસર થાય કે ના થાય ?

પ્રશ્નકર્તા : અસર તો થાય.

દાદાશ્રી : માટે તમે 'ચંદુભાઈ' છો. અને આ 'અંબાલાલ' (વ્યવહારમાં દાદાશ્રીનું નામ)ને કોઈ ગાળ દે, તો 'હું' આ 'અંબાલાલ'ને કહું કે 'જુઓ, તમે કહ્યું હશે, તેથી આ તમને ગાળો દે છે !' અમને તદ્દન જુદાપણું જ અનુભવમાં આવે છે. તમારુંય જુદું પડી જાય એટલે પછી 'પઝલ' સોલ્વ થઈ ગયું. નહીં તો રોજ 'પઝલ' ઊભાં થયાં જ કરે !

ક્રોધ-માન-માયા-લોભનો ખોરાક

ક્રોધ-માન-માયા-લોભ નિરંતર પોતાનું જ ચોરી ખાય છે પણ લોકોને સમજાતું નથી. આ ચારેયને જો ત્રણ વરસ ભૂખ્યાં રાખો તો તે ભાગી જાય. પણ તે જે ખોરાકથી જીવી રહ્યાં છે તે કયો ખોરાક ? તે જો જાણો નહીં તો તે શી રીતે ભૂખ્યાં મરે ? તેની સમજણ નહીં હોવાથી તેમને ખોરાક મળ્યે જ જાય છે. એ જીવે છે શી રીતે ? ને તેય પાછાં અનાદિકાળથી જીવે છે ! માટે તેનો ખોરાક બંધ કરી દો. આવો વિચાર તો કોઈનેય નથી આવતો ને બધા મારી-ઠોકીને તેમને કાઢવા મથે છે. એ ચાર તો એમ જાય તેવાં નથી. એ તો આત્મા બહાર નીકળે એટલે મહીં બધું જ વાળીઝૂડીને સાફ કરીને પછી નીકળે. તેમને હિંસક માર ના જોઈએ. તેમને તો અહિંસક માર જોઈએ.

ગુરુ શિષ્યને ક્યારે ટૈડકાવે ? ક્રોધ થાય ત્યારે. તે વખતે કોઈ કહે, 'મહારાજ, આને શું કામ ટૈડકાવો છો ?' ત્યારે મહારાજ કહે, 'તેને તો ટૈડકાવવા જેવો જ છે.' બસ ખલાસ, આ બોલ્યા તે ક્રોધનો ખોરાક. કરેલા ક્રોધનું રક્ષણ કરે તે જ તેનો ખોરાક.

કો'ક ઝીણા સ્વભાવનો તમને ચાની પડીકી લાવવા કહે ને તમે ૩૦ રૂપિયાની લાવો તો તે કહે કે, આટલી મોંઘી તે લવાતી હશે ? આવું બોલ્યો તેથી લોભ પોષાય અને કો'ક એંસી રૂપિયાની ચાની પડીકી લાવ્યો. તો લાફો માણસ કહે કે, આ સારી છે. તો ત્યાંય પણ લાફાપણાનો લોભ પોષાય, આ થયો લોભનો ખોરાક. આપણે નોર્મલ રહેવું.

હવે કપટ શું ખાતું હશે ? રોજ કાળાબજાર કરતો હોય પણ કપટની વાત નીકળે ત્યારે મૂઓ બોલી ઊઠે કે આવાં કાળાબજાર અમે ના કરીએ. આમ તે ઉપરથી શાહુકારી બતાવે, તે જ કપટનો ખોરાક.

અને માનનો ખોરાક શું ? નગીનભાઈ સામા મળે ને આપણે કહીએ, 'આવો નગીનભાઈ' ત્યારે નગીનભાઈની છાતી પહોળી થઇ જાય, અક્કડ થાય અને ખુશ થાય એ માનનો ખોરાક.

આત્મા સિવાય બધું જ ખોરાકથી જીવે છે.

આપણે તો આ ચારેયને ક્રોધ-માન-માયા-લોભને કહીએ કે આવો, બેસો પણ તેમને ખોરાક ના આપીએ.

ક્રોધ-માન-માયા-લોભ, આ ચારેય શેનાથી ઊભાં થાય છે ? પોતાની જ પ્રતિષ્ઠાથી. જ્ઞાની પુરુષ એ પ્રતિષ્ઠામાંથી ઉઠાડી, એની જગતનિષ્ઠા ઉઠાવીને બ્રહ્મમાં, સ્વરૂપમાં બેસાડી દે ને બ્રહ્મનિષ્ઠ બનાવી દે, ત્યારે આ ચારેયથી છુટકારો થાય !

જ્ઞાની પુરુષ ચાહે સો કરે ! આ ક્રોધ-માન-માયા-લોભ એ તો આત્મા-અનાત્મા, જ્ઞાન-અજ્ઞાનના બંધરૂપ છે, સાંકળ છે. નહીં તો અનાસક્ત ભગવાનને આસક્તિ ક્યાંથી ?

ભવોભવથી નિઃશંકતા

'પોતે કોણ છે' એના પર જ જો કોઈને શંકા પડતી જ નથી ને ! મહાન મહાન આચાર્યોને-સાધુઓને પણ પોતે જે નામ છે, તેની પર શંકા પડી નથી કોઈ દહાડો ! જો શંકા પડે તોય આપણે જાણીએ કે સમ્યક્્ દર્શન થવાની તૈયારીઓ થઈ રહી છે. એ શંકા જ પડતી નથી ને, પહેલી ! ઊલટાં એને જ સજ્જડ કરે છે અને આ બધાં ક્રોધ-માન-માયા-લોભ તેને લીધે છે. આ અસત્યની પકડ પકડી છે, તે સત્યરૂપે એનું ભાન થયું છે કે આ સત્ય જ છે. અસત્યની બહુ વખત પકડ પકડવામાં આવે, ત્યાર પછી એ એને માટે સત્ય થઈ જાય. ગાઢરૂપે અસત્ય કરવામાં આવે તો પછી સત્ય થઈ જાય. પછી એને અસત્ય છે એવું ભાન જ ના થાય, સત્ય જ છે એવું રહે.

એટલે અહીં જો શંકા પડે તો ક્રોધ-માન-માયા-લોભ બધું જતું રહે. પણ આ શંકા પડે નહીં ને ! કેવી રીતે પડે ? કોણ પાડી આપે આ ? ભવોભવથી નિઃશંક થયેલો એ બાબતમાં પોતાને શંકા પડે એવું કોણ કરી આપે ? જે ભવમાં ગયો ત્યાં આગળ જે નામ પડ્યું, ત્યાં એને જ સત્ય માન્યું. શંકા જ પડતી નથી ને ! કેટલી બધી મુશ્કેલી છે! અને તેને લઈને આ ક્રોધ-માન-માયા-લોભ ઊભાં રહ્યાં છે ને ! તમે જો 'શુદ્ધાત્મા' છો તો ક્રોધ-માન-માયા-લોભની જરૂર નથી અને તમે જો 'ચંદુભાઈ' છો તો ક્રોધ-માન-માયા-લોભની જરૂર છે. આખા શાસ્ત્રોનું 'સોલ્યુશન' અહીં આગળ આ એકલું જ જાણવામાં થઈ જાય ! પણ તે આત્મજ્ઞાન જાણવું કેવી રીતે ? અને આત્મજ્ઞાન જાણ્યા પછી કશું જાણવાનું બાકી નથી રહેતું.

સંસાર ચાલે કષાયોની સત્તાથી

આ કષાયો જંપીને ઘડી વાર બેસવા ના દે. છોકરો પરણાવતી વખતે મોહ ફરી વળેલો હોય ! ત્યારે મૂર્છા હોય. બાકી કાળજું તો આખો દહાડો ચાની પેઠે ઊકળતું હોય ! તોય મનમાં થાય કે 'હું' તો જેઠાણી છું ને ! આ સગાઈઓ સાચી નથી, આ તો સંસારી ઋણાનુબંધ છે. આ તો વ્યવહાર છે. નાટક ભજવવાનું છે. આ દેહ છૂટ્યો એટલે બીજે નાટક ભજવવાનું.

આ ચીકણી પટ્ટી શરીર પર ચોંટાડી હોય તો તેને ઉખાડીએ તો પણ એ ઊખડે નહીં, વાળને સાથે ખેંચીને ઊખડે તેમ આ સંસાર ચીકણો છે. 'જ્ઞાની પુરુષ' દવા દેખાડે તો એ ઊખડે. આ સંસાર છોડ્યે છૂટે એવો નથી. જેણે સંસાર છોડ્યો છે, ત્યાગ લીધો છે એ એનાં કર્મના ઉદયે છોડાવ્યો છે. સહુસહુને તેના ઉદયકર્મના આધારે ત્યાગધર્મ કે ગૃહસ્થીધર્મ મળ્યો હોય. સમકિત પ્રાપ્ત થાય ત્યારથી સિદ્ધદશા પ્રાપ્ત થાય.

અજ્ઞાનતાના પરિણામે પરિભ્રમણ

પ્રશ્નકર્તા : મરણ પછી આત્માની કેવી સ્થિતિ હોય છે ?

દાદાશ્રી : અત્યારે છે એવી ને એવી જ સ્થિતિ હોય છે. એની સ્થિતિમાં કંઈ ફેર પડવાનો નથી. ફક્ત અહીંથી મરે ત્યારે આ સ્થૂળ દેહ છોડી દે છે, બીજું કશું છોડતો-કરતો નથી. બીજા સંયોગો જોડે જ લઇ જાય છે. બીજા કયા સંયોગ ? ત્યારે કહે, 'કર્મો બાંધ્યાં છે ને તે, પછી ક્રોધ-માન-માયા-લોભ અને સૂક્ષ્મ શરીર, એ બધું જોડે જ જવાનું. આ સ્થૂળ દેહ એકલો અહીં પડી રહે છે. આ કપડું (દેહ) નકામું થયું એટલે છોડી દે છે.

પ્રશ્નકર્તા : અને બીજો દેહ ધારણ કરે છે ?

દાદાશ્રી : હા, બીજું કપડું બદલે છે ફક્ત, બીજો કશો ફેરફાર થતો નથી. કારણ કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી બીજ નાખ્યા જ કરે. બીજ નાખ્યા પછી જ આગળ ચાલે અને જ્ઞાન થાય પછી છૂટકારો થાય. 'પોતે કોણ છે' એનું ભાન થાય ત્યારે છૂટકારો થાય.

આત્મા સંગાથે શું જવાનું ?

પ્રશ્નકર્તા : મારો પુનર્જન્મ થવાનો હોય તો મારો આત્મા જોડે જ જાય ને ?

દાદાશ્રી : જોડે જવાનો જ ને ! અહીંથી આ આત્મા નીકળે છે, ત્યારે કષાયો આ શરીરમાંથી, એ જે કંઈ હોય ને, તે વાળીઝૂડીને નીકળે છે. કારણ કે પોતાની જે 'રોંગ બિલીફ' છે ને કે 'આ હું છું'; એટલે 'હું છું' થયું ત્યાં આગળ બધું 'મારું' થયું અને 'મારું' થયું એટલે આ ક્રોધ-માન-માયા-લોભ ઊભાં થઈ જાય છે. આત્મા નીકળે છે ત્યાર પછી ક્રોધ-માન-માયા-લોભ વાળીઝૂડીને બહાર નીકળે છે. એય પાછાં થોડીવાર પછી બધું વાળીઝૂડીને મહીં દેહમાં કશું રહી ના જાય એવી રીતે નીકળે છે, એવા કષાયો છે.

હવે આત્માની સાથે બીજું શું શું જાય છે ? 'કારણ શરીર', એ 'કોઝિઝ બોડી' છે અને 'સૂક્ષ્મ શરીર', એને 'ઇલેક્ટ્રિકલ બોડી' કહેવામાં આવે છે. જ્યાં સુધી આ સ્થૂળ દેહ હોય, જ્યાં સુધી સંસારી છે, ત્યાં સુધી દરેક જીવમાં 'ઇલેક્ટ્રિકલ બોડી' હોય અને જ્યારે મોક્ષે જાય ત્યારે 'ઇલેક્ટ્રિકલ બોડી' છૂટી જાય અને આત્મસ્વરૂપ એકલું જ જાય છે.

આ તો આખો દા'ડો મારું ને તારું, મારું ને તારું કર્યા કરે છે ! અને એમાં પોતે કશું પણ જોડે લઇ જતો નથી ! બીજા જન્મમાં કઇ કઇ ચીજો જોડે લઇ જવાના તમે ? અહીં કોઇની જોડે ઝઘડો કર્યો તે ગૂંચો જોડે લઇ જવાની, કોઇને દાન આપ્યું તે જોડે લઇ જવાનું અને અહંકાર તો જોડે જ લઇ જવાનો. આ બધી ગૂંચોનો માલિક અહંકાર તે તો જોડે જ રહેવાનો. ક્રોધ-માન-માયા-લોભ ને અહંકાર તો જોડે જ આવે.

સરવૈયા પ્રમાણે નવો હિસાબ

પ્રશ્નકર્તા : અત્યારે મારામાં જે અહંકાર છે, અત્યારે અહીં હાર્ટ ફેઈલ થઈ ગયું તો એ અહંકાર જોડે જાય છે કે એ ઓછો-વધતો જાય છે કે એટલો ને એટલો જ જાય છે ? કે બીજા જન્મમાં નવો ઊભો થાય છે ?

દાદાશ્રી : નવો ઊભો થાય છે. પાછળનો બધો ઓગળી જાય. નવો હિસાબ હોય તે અહંકાર, ક્રોધ-માન-માયા-લોભ બધું નવું, જૂનું નહીં.

પ્રશ્નકર્તા : એ નવું ઓછું-વધતું કયા આધારે થાય છે ? બે સાથે જન્મ્યાં હોય છે, એક બઈને બે છોકરાં જન્મ્યાં તેને ?

દાદાશ્રી : આ નવું. પણ એ તો એની પાસે જે માલ છે ને આખી જિંદગીનો, તેનુંુ સરવૈયું લઈ જાય છે.

પ્રશ્નકર્તા : પાછલું ખરું ને ?

દાદાશ્રી : આ, માલ છે તે મૂળ તો પાછલો જ. પાછલો એટલે એનો અર્થ એવો નહીં, તમે આજે કહો છો, એવું નહીં. આખી જિંદગી તમે કર્યુ છે ને એનાં સરવૈયાં રૂપે હોય છે અને તમારા ક્રોધ-માન-માયા-લોભ તો ઓગળી જ જાય છે, આ ભવમાં. અત્યારે જે છે, તે ઓગળી જાય.

પ્રશ્નકર્તા : પછી એ ઊભો ક્યાંથી થાય છે, ત્યારે ? એ છોકરું જન્મ્યું, પછી એ અહંકાર ઊભો ક્યાંથી થાય છે ?

દાદાશ્રી : એ પ્રગટ થાય છે, ઊભો નહીં થતો. જે અપ્રગટ હતો, તે જ પ્રગટ થાય છે.

પ્રશ્નકર્તા : એટલે જોડે તો ખરો જ ને ?

દાદાશ્રી : હા, ખરે તો ખરો જ. હા, પણ બધો માલ તે પાછલો જ, પણ પાછલો એટલે ગયા અવતારનો નહીં માલ. ગયા અવતારનાં ક્રોધ-માન-માયા-લોભ તો ઓગળી ગયાં અને જે ગયા અવતારે બીજા હિસાબ બાંધેલા તેના સરવૈયારૂપે નીકળે છે, એ હિસાબનું સરવૈયું નીકળે છે.

કર્મની થિયરી

પ્રશ્નકર્તા : બધું અહીંનું અહીં ભોગવવાનું છે, એમ કહે છે તે શું છે ?

દાદાશ્રી : હા, ભોગવવાનું અહીનું અહીં જ છે, પણ તે આ જગતની ભાષામાં. અલૌકિક ભાષામાં એનો અર્થ શો થાય ?

ગયા અવતારે કર્મ અહંકારનું, માનનું બંધાયેલું હોય, તે આ અવતારમાં એનાં બધાં બિલ્ડિંગ બંધાતાં હોય, તો પછી એ એમાં માની થાય. શાથી માની થાય છે ? કર્મના હિસાબે એ માની થાય છે. હવે માની થયો, તેને જગતના લોક શું કહે છે કે, 'આ કર્મ બાંધે છે, આ આવું માન લઈને ફર્યા કરે છે.' જગતના લોકો આને કર્મ કહે છે. જ્યારે ભગવાનની ભાષામાં આ કર્મનું ફળ આવ્યું. ફળ એટલે માન ના કરવું હોય તોય કરવું જ પડે, થઈ જ જાય.

અને જગતના લોકો જેને કહે કે આ ક્રોધ કરે છે, માન કરે છે, અહંકાર કરે છે, હવે એનું ફળ અહીંનું અહીં જ ભોગવવું પડે છે. માનનું ફળ અહીંનું અહીં શું આવે કે અપકીર્તિ ફેલાય, અપયશ ફેલાય. તે અહીં જ ભોગવવું પડે. આ માન કરીએ તે વખતે જો મનમાં એમ હોય કે આ ખોટું થઈ રહ્યું છે, આવું ના હોવું જોઈએ, આપણે નિર્માની થવાની જરૂર છે, એવા ભાવ હોય તો તે નવું કર્મ બાંધે છે. તેના હિસાબે આવતે ભવે પાછો નિર્માની થાય.

કર્મની થિયરી આવી છે ! ખોટું થતી વખતે મહીં ભાવ ફરી જાય તો નવું કર્મ તેવું બંધાય ને ખોટું કરે ને ઉપરથી રાજી થાય કે 'આવું કરવા જેવું જ છે.' તે પાછું નવું કર્મ મજબૂત થઈ જાય, નિકાચિત થઈ જાય. એ પછી ભોગવ્યે જ છૂટકો.

આખું સાયન્સ જ સમજવા જેવું છે. વીતરાગોનું વિજ્ઞાન બહુ ગુહ્ય છે.

વાસ્તવિકતાનું રહસ્યજ્ઞાન

જગતની વાસ્તવિકતાનું રહસ્યજ્ઞાન લોકોના લક્ષમાં જ નથી અને જેનાથી ભટક ભટક કરવું પડે, એ અજ્ઞાન-જ્ઞાનની બધાને ખબર છે. આ ગજવું કપાયું, તેમાં કોની ભૂલ ? આના ગજવામાંથી ના કપાયું ને તારું જ કેમ કપાયું ? તમારા બેમાંથી અત્યારે કોણ ભોગવે છે ? 'ભોગવે એની ભૂલ !' આ 'દાદા'એ જ્ઞાનમાં 'જેમ છે તેમ' જોયું છે કે, ભોગવે એની જ ભૂલ છે.

આ આખું જગત 'આપણી' માલિકીનું છે. આપણે 'પોતે' બ્રહ્માંડના માલિક છીએ. છતાં આપણને દુઃખ કેમ ભોગવવું પડ્યું, તે ખોળી કાઢને ? આ તો આપણે આપણી ભૂલે બંધાયા છીએ. કંઈ લોકોએ આવીને બાંધ્યા નથી. તે ભૂલ ભાંગે પછી મુક્ત. અને ખરેખર તો મુક્ત જ છે પણ ભૂલને લીધે બંધન ભોગવે છે.

ભોગવે એની ભૂલ

જે દુઃખ ભોગવે એની ભૂલ અને સુખ ભોગવે તો એ એનું ઈનામ. પણ ભ્રાંતિનો કાયદો નિમિત્તને પકડે. ભગવાનનો કાયદો-રિયલ કાયદો, એ તો જેની ભૂલ હોય તેને જ પકડે. આ કાયદો એક્ઝેક્ટ છે અને તેમાં કોઈ ફેરફાર કરી શકે તેમ છે જ નહીં. જગતમાં એવો કોઈ કાયદો નથી કે જે કોઈને ભોગવટો આપી શકે ! સરકારનોય કાયદો ભોગવટો ના આપી શકે.

પોતાની કંઈ ભૂલ હશે તો જ સામો કહેતો હશે ને ? માટે ભૂલ ભાંગી નાખોને ! આ જગતમાં કોઈ જીવ કોઈ જીવને તકલીફ આપી શકે નહીં, એવું સ્વતંત્ર છે અને તકલીફ આપે છે તે પૂર્વે ડખલ કરેલી તેથી. તે ભૂલ ભાંગી નાખો પછી હિસાબ રહે નહીં.

પ્રશ્નકર્તા : આ થિયરી બરાબર સમજાય તો મનને બધા પ્રશ્નોનું સમાધાન રહે.

દાદાશ્રી : સમાધાન નહીં, એક્ઝેક્ટ એમ જ છે. આ ગોઠવી કાઢેલું નથી, બુદ્ધિપૂર્વકની વાત નથી, આ જ્ઞાનપૂર્વકનું છે.

કષાયના આધારે દેખાય દોષિત

પ્રશ્નકર્તા : કોઈ પથરો મારે ને વાગ્યું તો એનાથી આપણને ઈજા થાય અને વધારે ઉદ્વેગ થાય.

દાદાશ્રી : ઈજા થાય છે એટલે ઉદ્વેગ આવે, નહીં ? અને ડુંગર ઉપરથી ઢેખાળો ગબડતો ગબડતો માથા ઉપર પડે ને લોહી નીકળ્યું તો ?

પ્રશ્નકર્તા : એ પરિસ્થિતિમાં કર્મના આધીનથી આપણને વાગવાનું હશે તો વાગી ગયું, માનીએ.

દાદાશ્રી : પણ ડુંગરને ગાળ ના ભાંડો ? ગુસ્સો ના કરો તે ઘડીએ ?

પ્રશ્નકર્તા : એમાં ગુસ્સો આવવાનું કારણ નથી. કારણ કે સામે કોણે કર્યું, એને આપણે ઓળખતા નથી.

દાદાશ્રી : કેમ ત્યાં ડહાપણ આવે છે ? સહજ ડહાપણ આવે કે ના આવે ? એવું આ બધા ડુંગરો જ છે. આ હંમેશાંય ઢેખાળો નાખે છે, ગાળો ભાંડે છે, ચોરીઓ કરે છે, એ બધા ડુંગરો જ છે, ચેતન નથી. આ સમજાઈ જાય તો કામ નીકળી જાય.

ગુનેગાર દેખાય છે તે તમારી મહીં ક્રોધ-માન-માયા-લોભ, મહીં જે શત્રુઓ છે ને, તે દેખાડે છે. પોતાની દ્ષ્ટિથી ગુનેગાર નથી દેખાતો, ક્રોધ-માન-માયા-લોભ દેખાડે છે. જેને ક્રોધ-માન-માયા-લોભ નથી, એને કોઈ ગુનેગાર દેખાડનાર છે જ નહીં ને એને કોઈ ગુનેગાર દેખાતુંય નથી. ખરી રીતે ગુનેગાર જેવું કોઈ છે જ નહીં. આ તો ક્રોધ-માન-માયા-લોભ પેસી ગયા છે અને તે 'હું ચંદુભાઈ છું' એ માનવાથી પેસી ગયા છે. એ 'હું ચંદુભાઈ છું'ની માન્યતા છૂટી ગઈ એટલે ક્રોધ-માન-માયા-લોભ જતાં રહેશે. છતાં ઘર ખાલી કરતાં એમને જરા વાર લાગે. બહુ દહાડાનાં પેસી ગયેલાં ને !

'જૂઠ'થીય કષાય અટકાવો

બાકી, સાચું-જૂઠું એ તો એક લાઈન ઓફ ડિમાર્કેશન છે, નહીં કે ખરેખર તેમજ છે. 'સત્યનું જો પૂછડું પકડશો તો અસત્ય કહેવાય', ત્યારે એ ભગવાન કેવા ? કહેનારા કેવા ? 'હેં સાહેબ, સત્યને પણ અસત્ય કહો છો ?' 'હા, પૂછડું કેમ પકડ્યું ?' સામો કહે કે 'ના, આમ જ છે.' તો આપણે છોડી દેવાનું.

જ્યાં સત્યની કંઈ પણ ખેંચ છે એ અસત્ય થઈ ગયું ! કારણ કે પેલા બિચારાને કોઈ માણસ હેરાન કરતો હોય અને આ લોકોએ તો પૂછડું પકડેલું છે. ગધેકા પૂંછ પકડા વો પકડા ! અરે, છોડી દે ને ! આ લાતો મારે તો છોડી દેવાનું. લાત વાગી તો આપણે જાણીએ કે આ ગધેડાનું પૂછડું મેં પકડ્યું છે. સત્યનું પૂછડું પકડવાનું નથી. સત્યનું પૂછડું પકડ્યું એ અસત્ય છે. આ પકડી રાખવું એ સત્ય જ ન્હોય. છોડી દેવું એ સત્ય !

કાકા કહેતા હોય, 'શું ફૂટ્યું ?' તો આપણે જરા જૂઠું બોલીને એવું સમજાવતાં આવડે કે 'ભઈ, પાડોશવાળાને ત્યાં કશું ફૂટ્યું લાગે છે.' તો કાકા કહેશે, 'હા, ત્યારે કશો વાંધો નહીં.' એટલે ત્યાં જૂઠું બોલે તોય વાંધો નહીં. કારણ કે ત્યાં સાચું બોલીએ તો કાકા કષાય કરે, એટલે એ બહુ ખોટ ખાય ને ! એટલે ત્યાં 'સચ'નું પૂછડું પકડી રાખવા જેવું નથી. અને 'સચ'નું પૂછડું પકડે, એને જ ભગવાને 'અસત્ય' કહ્યું છે.

આ જૂઠું બોલવાનું અમે એકલાએ શીખવાડ્યું છે, આ દુનિયામાં બીજા કોઈએ શીખવાડ્યું નથી. પણ એનો જો દુરુપયોગ કરે તો જવાબદારી એની પોતાની. બાકી, અમે તો આમાંથી છટકવાનો માર્ગ દેખાડીએ છીએ, પણ એનો દુરુપયોગ કરે તો એની જોખમદારી ! આ તો છટકવાનો માર્ગ દેખાડીએ કે ભઈ, આ કાકાને કષાય ના થાય એટલા સારુ આવું કરજે. નહીં તો એ કાકાને કષાય થાય એટલે તમને કષાય કરે. 'તું અક્કલ વગરનો છે. વહુને કશું કહેતો નથી. એ છોકરાં સાચવતી નથી. આ પ્યાલા બધાં ફોડી નાખે છે.' એટલે બધું ઊભું થાય ને સળગે પછી ! એટલે કષાય થયા કે બધું સળગાવ સળગાવ કરે. એનાં કરતાં સળગતાં જ ટોપલી ઢાંકી દેવી !

કષાય કરતાં અસત્ય ઉત્તમ

કષાય ઓછાં કરવા માટે ઘેર જઈએ અને સત્ય બોલવાથી ઘરમાં કષાય વધી જાય એવું હોય તો અસત્ય બોલીનેય કષાય બંધ કરી નાખવા સારું. ત્યાં પછી સત્યને પૂળો મૂકવો ? 'આ' સત્ય ત્યાં આગળ અસત્ય જ છે ! એટલે અમે કહ્યું કે આત્મા પ્રાપ્ત કરવા માટે ઘેરથી અસત્ય બોલીને આવશો તો એ સત્ય છે. વહુ કહે, 'ત્યાં નથી જવાનું દાદાની પાસે.' પણ આત્મા પ્રાપ્ત કરવાનો તમારો હેતુ છે, તો અસત્ય બોલીને આવશો તોય જવાબદારી મારા માથે છે.

કષાયોનું ડેવલપમેન્ટ કેવું ?

હિન્દુસ્તાનના લોકોને આ ફોરેનવાળા છીટ્ છીટ્ કરે છે. તેમને અન્ડરડેવલપ્ડ (અવિકસિત) કહે છે. ત્યારે મારે કહેવું પડે છે કે મૂઆ, તું અન્ડરડેવલપ્ડ છે. આધ્યાત્મિક માટે તું અન્ડરડેવલપ્ડ છે અને ભૌતિકમાં તું ફુલ્લી ડેવલપ્ડ (પૂર્ણ વિકસિત) છે. ભૌતિકમાં તમારો દેશ ફુલ્લી ડેવલપ્ડ છે. જ્યારે ભારત દેશ ભૌતિકમાં અન્ડરડેવલપ્ડ છે અને આધ્યાત્મિકમાં ફુલ્લી ડેવલપ્ડ છે. અહીંના ગજવાં કાપનારનેય હું એક કલાકમાં ભગવાન બનાવી દઈ શકું તેમ છું. બહારની બધી જ પ્રજા આંતરવિજ્ઞાનમાં અન્ડરડેવલપ્ડ છે, તે શી રીતે હું તમને સમજ પાડું ?

ત્યાંના લોકોને ક્રોધ-માન-માયા-લોભ હજુ ડેવલપ થાય છે. જ્યારે હિન્દુસ્તાનનાં લોકોના ક્રોધ-માન-માયા-લોભ ફુલ્લી ડેવલપ થઈ ગયાં છે, ટોપ ઉપર જઈ પહોંચ્યાં છે.

ત્યાં ફોરેનમાં તમારો સહેજ ઓળખાણવાળો હોય ને તેને તમે કહો કે મારે અહીંથી પચાસ માઈલ દૂર જવું છે. તો તે તમને તેની મોટરમાં લઈ જશે ને પાછો લાવશે ને વળી રસ્તામાં હોટલનું બિલ પણ તે આપશે. જ્યારે અહીં તમારા કાકાના દીકરાની પાસે મોટર માગશો તો તે હિસાબ કાઢશે કે પચાસ માઈલ જવાના ને પચાસ માઈલ આવવાના, સો માઈલ થાય. પેટ્રોલનો ખર્ચ આટલો, ઓઈલ-પાણીનો ખર્ચ આટલો ને ઉપરથી મારી મોટર એટલી ઘસાશે એવોય મહીં હિસાબ કાઢી મૂકે. તે મૂઆ જૂઠું બોલે કે 'કાલે તો મારા સાહેબ આવવાના છે.'

તે શું છે ? પેલાનો લોભ જ ડેવલપ નથી થયો ને આનો લોભ ફુલ્લી ડેવલપ થઈ ગયો છે. સાત પેઢી સુધીનો ડેવલપ થઈ ગયો છે. જ્યારે ત્યાંની પ્રજાનો લોભ કેટલો ડેવલપ થયેલો હોય ? પોતા પૂરતો જ. વિલિયમ ને મેરી પૂરતો જ અને છોકરો અઢાર વરસનો થાય એટલે તું જુદો ને અમે જુદાં. ને જો મેરી જોડે જરાક અથડામણ થઈ તો તું જુદી ને હું જુદો, તરત જ ડિવોર્સ. જ્યારે આપણે અહીં તો મમતા ઠેઠ સુધીની ડેવલપ થયેલી હોય. એક એંસી વરસનાં ડોસીને પંચ્યાસી વરસના ડોસા આખી જિંદગી રોજ ઝઘડે, રોજ કચકચ ચાલે ને જ્યારે ડોસા ગુજરી ગયા ત્યારે ડોસીએ સરવણી કરી અને ખાટલામાં 'તારા કાકાને આ ભાવતું હતું ને તારા કાકાને પેલું ગમતું હતું.' તેમ યાદ કરી કરીને મૂક્યું. મેં કહ્યું, 'કેમ કાકી, તમે તો રોજ ઝઘડતા હતા ને ?' ત્યારે કાકી કહે, 'એ તો એમ જ હોય. પણ તારા કાકા જેવા મને ફરી નહીં મળે. મારે તો ભવોભવ તે જ જોઈએ.' મમતાય ટોપ સુધી પહોંચેલી હોય !

ત્યાં કષાય નથી ખીલ્યા

પ્રશ્નકર્તા : એ ફોરેનવાળા લોકોનું જીવન જ એવું હોય કે કષાય ઉત્પન્ન ના થાય. રહેણીકરણી, હવા, વાતાવરણ બધી વ્યવસ્થા એવી હોય કે કષાય ઉત્પન્ન ના થાય.

દાદાશ્રી : એ એમના હિસાબસર જ બધું ગોઠવાયેલું હોય. કષાય જ નહીંને ! લોભ કષાય નહીં, માન કષાય નહીં. કશી બીજી ભાંજગડ જ નહીં. પાર્લામેન્ટમાં હોય એટલાને થોડા ઘણા વિચારો આવે. બાકી વિચાર જ ના આવેને !

પ્રશ્નકર્તા : ત્યાં પાંચસો રૂપિયાનો ખરાબ માલ નીકળ્યો તો પાછો આપે તો તરત લઈ લે.

દાદાશ્રી : હા, તરત લઈ લે.

પ્રશ્નકર્તા : અને અહીં તો દીધેલો માલ પાછો લેવામાં નહીં આવે.

દાદાશ્રી : અરે, લખેલું હોય તોયે ના લે !

નહીં તો મોક્ષ સૂઝે ના

ફોરેનના લોકોનાં ક્રોધ-માન-માયા-લોભ આવડા-આવડા જ છે ! એક ઇંચના !! અને આપણા લોકોના ક્રોધ-માન-માયા-લોભ તો ઝાડ જેટલા થયેલા છે ! એમને ચિંતા-બિંતા ના થાય અને આપણા લોકોને ચિંતાય બહુ, એટલે પછી મનમાં કંટાળે કે બળ્યું, આમાં સુખ નથી. એટલે શોધખોળ કરે કે સુખ શામાં છે ? ત્યારે સુખ મોક્ષમાં છે, કહેશે ! પછી મુક્તિના વિચારો આવે. અહીં જો ચિંતા ના હોયને તો મોક્ષમાં કોઈ જાય નહીં, એકુંય માણસ ના જાય.

મળે વ્યવસ્થિતના હિસાબ મુજબ

અને દેહ ધારણ થયો છે, તે દેહ તો એનું લઈને આવ્યો હશેને ? હિસાબ તો લઈને આવ્યો હશેને ? દાઢી કરવાની ઈચ્છા નથી તોય થયા કરે છે, ત્યારે રોટલા નહીં મળે ? એક ઘડીમાં જો કદી આ પ્રકૃતિ રિસાયને તો આ ઊઘાડી આંખે લાઈટ બંધ થઈ જાય બિલકુલ, એવું આ જગત છે. તો લાઈટ ચાલુ રહે છે, તો કેમ રોટલા નહીં મળે ? એટલે કશાની ફિકર-ચિંતા નહીં. વ્યવસ્થિત એવું છે ને, બધું લઈને આવેલું છે તમારું. એટલે ફિકર-ચિંતા જેવું છે નહીં.

છતાં વ્યવસ્થિત ઉપર બેસવું નહીં કોઈ દા'ડોય. વ્યવસ્થિતને આપણી ઉપર બેસાડવું. એની ઉપર બેસવું નહીં. એની ઉપર બેસો તો તો વેશ થઈ પડશે. વ્યવસ્થિત સંભારવાનું ના હોય. જ્યારે ખાવાનું ના મળે તે દા'ડે છે તે વીતરાગ ભગવાનની કહેલી આજ્ઞા આરાધનપૂર્વકનો ઉપવાસ. આ તો મળે, તે દા'ડે કહેશે, 'આજે મારે ઉપવાસ છે.' બીજે દા'ડે ઠેકાણું ના હોય, ત્યારે પછી અમુક અમુક મૂક્યું, ત્યારે કષાય કર્યા કરે, 'આ કંઈથી વ્હોરી લાવ્યા આવું ? આ ઠંડા રોટલાને આ બધું ?' ત્યારે મૂઆ કષાય કરવાં હોય તો ઉપવાસ ના કરીશ અને ઉપવાસ કરવા હોય તો કષાય ના કરીશ. કષાય માટે ઉપવાસ નથી કરવાનાં, કષાય કાઢવા માટે ઉપવાસ કરવાનાં છે.

પુરણ થયેલું થાય ગલન

વ્યવસ્થિત એક્ઝેક્ટ વ્યવસ્થિત જ છે પણ ક્યારે ? એ ભોક્તાપદમાં હોય તો !

પ્રશ્નકર્તા : એનું પ્રતિપૂર્ણ વર્તન કેવું ઘટે ?

દાદાશ્રી : એટલે વર્તન તો જે મહીં વ્યવસ્થિતમાં હોય એવું ઘટે પણ રાગ-દ્વેષ વગરનું હોય. કારણ કે રાગ-દ્વેષ તો ક્યારે થાય ? મહીં આ ડખાવાળો ભેગો થયો હોય ત્યારે. કર્તા ભેગો થાય કે રાગ-દ્વેષ થાય. હવે કર્તાપદ ઊડી ગયું છે અને પોતે જ્ઞાતા થયો છે. એટલે રાગ-દ્વેષ ના થાય. ગુસ્સો થાય પણ એની પાછળ ક્રોધ-દ્વેષ ના હોય. ઘડી પછી કશુંય નહીં, મહીં ભરેલો માલ. પૂરણ થયેલો માલ ગલન થાય છે. નવું પૂરણ થવાનું બંધ છે.

હવે જ્ઞાન પછી ક્રોધ-માન-માયા-લોભ થતાં નથી, પણ લોકોને મનમાં એમ થાય કે હજી મને થાય છે, એ ડિસ્ચાર્જ હોય છે. ચાર્જરૂપે નથી થતાં. ચાર્જરૂપે ક્રોધ-માન-માયા-લોભ કોને કહેવાય ? જેની પાછળ હિંસકભાવ હોય અને તાંતો હોય.

આપણે અહીં બધા મહાત્માઓમાં અહંકાર જોઇએ, પણ તે ડ્રામેટિક હોય, કારણ કે 'ફાઇલો' રહી છે તેનો નિકાલ કરવો પડે. તેથી ચંદુલાલનો ડ્રામા રહ્યો. નફો થાય તો અડે નહીં ને ખોટ જાય તોય અડે નહીં. માત્ર ચંદુલાલનું નાટક સમભાવે ભજવીને છૂટી જવાનું છે.

ત્યાં ઉપાય પ્રતિક્રમણ

હવે પેલી જે નબળાઈ ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ શું શું કામ કરે છે ? શો પાઠ ભજવે છે ?

પ્રશ્નકર્તા : લે-મેલ કરાવી મેલે. ગુસ્સો થઈ જાય. પછી જાગૃતિ આવે કે આપણે આ ખોટું કર્યું છે પછી એનું પ્રતિક્રમણ કરવું જરૂરી છે ?

દાદાશ્રી : આપણા ગુસ્સાથી સામાને દુઃખ થયું હોય કે સામાને કંઈ પણ નુકસાન થયું હોય, ત્યારે આપણે ચંદુભાઈ (ફાઈલ નં.૧)ને કહેવું કે, હે ચંદુભાઈ, પ્રતિક્રમણ કરી લો, માફી માગી લો.

છોકરાને મારવાનો કંઇ અધિકાર નથી, સમજાવવાનો અધિકાર છે. છતાં છોકરાને ધીબી નાખ્યો તો પછી પ્રતિક્રમણ ના કરે તો બધાં ચોંટ્યા જ કરે ને ? પ્રતિક્રમણ તો થવું જ જોઇએ ને ? છોકરાને ધીબી નાખ્યો એ તો પ્રકૃતિના અવળા સ્વભાવે કરીને; ક્રોધ-માન-માયા-લોભને લઇને; કષાયો થકી ધીબી નાખ્યો. કષાયો ઉત્પન્ન થયા એટલે ધીબી નાખ્યો. પણ ધીબી નાખ્યા પછી મારો શબ્દ યાદ રહે કે, 'દાદા'એ કહ્યું હતું કે અતિક્રમણ થયું તો આવું પ્રતિક્રમણ કરો, તો પ્રતિક્રમણ કરે ને તોય એ ધોવાઇ જાય ! તરત ને તરત ધોવાઇ જાય એવું છે. ધર્મધ્યાનથી કર્મ બંધાયેલું છૂટે અને નવું બંધાય નહીં ! અને સંપૂર્ણ મોક્ષ તો શુકલધ્યાન ઉત્પન્ન થશે, ત્યારે થશે. શુકલધ્યાન તો 'જ્ઞાની પુરુષ'ની પાસેથી જ થાય. શુકલધ્યાન આ કાળમાં તો વીતરાગોએ ના પાડી છે પણ આ તો અક્રમ માર્ગ છે, અપવાદ માર્ગ છે એટલે 'અમે' શુકલધ્યાન કલાકમાં જ આપીએ છીએ. નહીં તો શુકલધ્યાનની વાત જ ના હોય ને ! અને શુકલધ્યાન થયું એટલે કામ જ થઇ ગયું ને !

કોઈને આપણાથી દુઃખ ન હો

પ્રશ્નકર્તા : અમારા અભિમાનથી કોઈને તકલીફ ના થાય અને સંતાપ ના થાય, એને બદલે સામાને સુખ થાય, એને માટે અમારે શું કરવાનું ?

દાદાશ્રી : આટલો ભાવ જ કરવાનો. બીજું કશું કરવાનું નહીં. 'આપણા અભિમાનથી કોઈને દુઃખ ન હો ને સુખ થાવ' એવો ભાવ કરવાનો. પછી દુઃખ થઈ જાય તો પ્રતિક્રમણ કરવાનાં ને આગળ હેંડવા માંડવાનું. ત્યારે શું કરે તે ? કંઈ આખી રાત ત્યાં આપણે બેસી રહેવું ? બેસી રહેવાય એવુંય નથી આ પાછું. આપણે બેસી રહેવું હોય તોય બેસાય એવું નથી, તો શું કરવાનું ? છતાં આ લોકોને દુઃખ ના થાય એવી રીતે આપણે પગલું ભરવું જોઈએ.

પ્રશ્નકર્તા : એ હિસાબે તો આખો સંસાર અહંકારનું પરિણામ જ છે. 'હું ચંદુભાઈ છું' એનું પરિણામ જ આખો સંસારને ?

દાદાશ્રી : પણ હવે એ અહંકાર આ 'જ્ઞાન' પછી તમને ગયો. ફરી અહંકાર રહેતો હોય તો પરિણામ ઊભાં થયા કરેને ! આ 'જ્ઞાન' પછી તો નવાં પરિણામ ઊભાં થાય નહીંને ! અને જૂનાં પરિણામ ઊડ્યા જ કરે. જૂનાં એકલાં જ ઊડી જવાનાં. એટલે ઉકેલ આવી ગયો. એ ટાંકી નવી ભરાતી નથી. કોઈની ટાંકી પચાસ ગેલનની હોય ને કોઈની પચ્ચીસ લાખ ગેલનની હોય. મોટી ટાંકી હોય ત્યારે વાર લાગે પણ ખાલી થવા માંડ્યું એને શું ?

પ્રશ્નકર્તા : પણ ટાંકી ખાલી થતાં થતાં તો પેલા ફ્લડ (પૂર)ની માફક કોઈને ગબડાવી દે. કોઈને અથડાય ને કોઈને મારી દેને, પાછું.

દાદાશ્રી : હા. એ તો બધું જે મારે છેને, તે તો એનાં પરિણામ છે ને ! એમાં આપણને શું લેવાદેવા ? પણ કોઈને દુઃખ થાય તો એનું પ્રતિક્રમણ કરી લેવાનું.

સમકિત દ્ષ્ટિથી જ ભેદાય આવરણો

પ્રશ્નકર્તા : જ્ઞાયક સ્વભાવીના સંસારી ઉદયો આવે ત્યારે એ એમાં ઉદયવશ ના થાય ?

દાદાશ્રી : ના, ઉદયનો એ જ્ઞાતા હોય. ઉદયનો જ્ઞાતા હોય ત્યારે જ્ઞાયક સ્વભાવ કહેવાય અને ઉદયનો જ્ઞાતા ના હોય ત્યારે ઉદયવશ કહેવાય.

પ્રશ્નકર્તા : દાદા, એક વખત જ્ઞાયક સ્વભાવમાં આવ્યો હોય એ પછી પાછો ઉદયવશ થઈ જાય ખરો ?

દાદાશ્રી : એ તો ઉદયવશ થઈ જાયને, ભારે ઉદય આવે ત્યારે. ઉદય ભારે ચીકણા હોય ત્યારે તેથી આ પ્રત્યાખ્યાનાવરણ કષાય એમ લખ્યું. તે હું બહુ વિચાર કરતો હતો કે ઓહોહો ! આ પ્રત્યાખ્યાનાવરણ એ કષાય પાછા કઈ જાતના ? જ્ઞાન થતાં પહેલાં હું બહુ વિચાર કરતો હતો. કારણ કે એ લોકોએ શું કહ્યું, અવિરત કષાય એટલે અનંતાનુબંધી પછી અપ્રત્યાખ્યાની, આ પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કર્યું નથી એવા કષાયને શું કહે છે ? 'અપ્રત્યાખ્યાની.'

પ્રશ્નકર્તા : હવે અનંતાનુબંધીમાંથી અપ્રત્યાખ્યાનીમાં આવે, પછી પ્રત્યાખ્યાનીમાં આવે. તો એ જે પ્રક્રિયામાં આવવાની જે દશા છે એની પાછળ સમકિતની દ્ષ્ટિ છે ?

દાદાશ્રી : સમકિત જ. સમકિત દ્ષ્ટિને લઈને જ આગળ વધ્યા કરે.

અનંતાનુબંધી કષાય

પ્રશ્નકર્તા : આ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, એ કષાયોને વિગતવાર સમજાવો.

દાદાશ્રી : હવે શાસ્ત્રકારોએ શું લખ્યું ? કે ભઈ, એક માણસ આ બેનની જોડે બે જ વાક્યો એવાં બોલ્યો કે જેથી એ બેનનું મન ભાંગી ગયું. એ ભઈ મન ભાંગી ગયું એવું બોલ્યા, કે આખી જિંદગીભર હવે સંધાય નહીં. આવું મન કાયમનું તૂટી જાય. એને શાસ્ત્રકારોએ શું કહ્યું ? અનંતાનુબંધી ક્રોધ, જે અનંત અવતાર સુધી રખડાવી મારે એવો આ ક્રોધ.

બીજા પ્રકારનો ક્રોધ થયો તો વર્ષ દહાડા સુધી બોલે નહીં એ. વર્ષ દહાડો થાય ત્યારે રુઝાય ક્રોધ ભૂલી જાય ને રુઝાઈ જાય. એટલે વર્ષ દહાડાની મુદતનો, એ કયા પ્રકારનો ક્રોધ ? અપ્રત્યાખ્યાની ક્રોધ, એટલે જેનાં પશ્ચાત્તાપ લીધા નહોતા, પ્રતિક્રમણ કર્યાં નહોતાં, એટલે આ નીકળ્યો, કહે છે.

પ્રશ્નકર્તા : એકવાર જે ગુસ્સો થયેલો તે જ ગુસ્સો પાછો નીકળ્યો કહેવાય ?

દાદાશ્રી : ના, એમ નહીં. ગુસ્સો થાય પછી પ્રતિક્રમણ ન કરે, તો ફરી એવા ને એવા ફોર્સમાં નીકળે. ગુસ્સો કર્યા પછી પ્રતિક્રમણ ન કરે તો વર્ષ દહાડાનું, અને પછી પ્રતિક્રમણ કરે તો પંદર દહાડાનું. પંદર દહાડામાં બેઉ પાછા બોલતા થઈ જાય, ભૂલી જાય બધું. એ કેવો કહે છે ? પ્રત્યાખ્યાની ક્રોધ.

આખી જિંદગીનું તૂટી જાય એ અનંતાનુબંધી ક્રોધ. આ પથ્થરની ભેખડની વચ્ચે ફાટ થયેલી હોય ફૂટ કે બે ફૂટની, એ ગમે એટલી મહીં વસ્તુઓ પડે, તો પણ મૂળ એ ફાટ છે તે કાયમની રહે.

એની આગળ વર્ષ દહાડાનું કયું કહ્યું ? અપ્રત્યાખ્યાની. એમાં ખેતરની જમીનમાં માટીમાં ફાટ પડી હોય, એટલે વર્ષે દહાડામાં સંધાઈ જાય.

પછી એની આગળનો ક્રોધ - પંદર દહાડાવાળાનો શું છે ? એ પ્રત્યાખ્યાની એમાં રેતીમાં એક લીસોટો પાડ્યો, આજે દરિયાની રેતીમાં લીસોટો પાડીએ તો શું થઈ જાય ? કેટલી વારમાં ભૂંસાઈ જાય ?

પ્રશ્નકર્તા : તરત, પવન આવે કે તરત !

દાદાશ્રી : પવન આવે એટલે એક થઈ જાય. એક કલાક-બે કલાકેય લાગે, એ પ્રત્યાખ્યાની ક્રોધ. અને ચોથો પાણીમાં લીસોટો કરીએ ને પાછો સંધાઈ જાય. તે આ પાણીનો લીસોટો કહેવાય, એ સંજ્વલન ક્રોધ. મહાત્માઓ બધાને પાણીના લીસોટા જેવું ના હોય. બધાને પંદર દહાડા પછી સંધાય. કેટલાકને પાણી જેવુંય હોય.

બુદ્ધિ કબૂલ કરે એવી વાત કરી છે ને, આ શાસ્ત્રકારોએ !

પ્રશ્નકર્તા : આત્મા કબૂલ કરે એવી વાત છે.

દાદાશ્રી : એ આત્મા એટલે કયો ? વ્યવહાર આત્મા, પ્રતિષ્ઠિત આત્મા. એ બુદ્ધિના ખેલ છે. અને આત્મા કયો હોય ? આ બધો વ્યવહાર આત્મા. મૂળ આત્મા તો એનેય જાણે છે, બધું જાણે !

અપ્રત્યાખ્યાનાવરણ કષાય

પ્રશ્નકર્તા : એક વખત અનંતાનુબંધી તૂટે તો પછી એ ઊતરતી કક્ષામાં જાય એટલે એ પછી ધીમે ધીમે ઘટ્યા કરે ?

દાદાશ્રી : એ તો વધીય જાય. પણ અપ્રત્યાખ્યાન આવે એટલે કષાય જે થાય છે, તેની પર ક્યારેય પણ પ્રતિક્રમણ કે પ્રત્યાખ્યાન કર્યું નથી. એટલે બધા જે કષાય આવે છે તે, પ્રત્યાખ્યાન નથી કર્યાં માટે આવે છે. એટલે પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન શરૂઆત થાય. ત્યાં આગળ પછી પાંચમા ગુંઠાણામાં પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કર્યા કરે, એનું ફળ આવે ત્યાં છઠ્ઠા ગુંઠાણામાં જાય. છઠ્ઠામાં શું થાય ? પ્રત્યાખ્યાનાવરણ કષાય !

પ્રત્યાખ્યાનાવરણ કષાય

પ્રત્યાખ્યાનાવરણ એટલે શું ? પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કર્યું તોય કષાયો આવે છે. એ તો કેટલાય પડવાળા છે, એ આવે છે. થોડાં પડવાળા જતા રહ્યા, પણ બહુ પડવાળા પ્રત્યાખ્યાન આવરણ. લાખો પ્રતિક્રમણ કરો તોય ના જાય.

પ્રશ્નકર્તા : એ કયા દોષો ?

દાદાશ્રી : એને પ્રત્યાખ્યાનાવરણ કહ્યા છે. પ્રત્યાખ્યાન કર્યાં છે તોય છે તે જતા નથી.

પ્રશ્નકર્તા : તે શું કારણ એટલું બધું ?

દાદાશ્રી : બહુ ઊંડા, જાડા ! પાંચ હજાર પડ હોયને ડુંગળીનાં, તે આપણે પડ ઉતાર ઉતાર કરીએ તોય એ દેખાયા કરે ને. એક જાતનું આવરણ છે. બધાનામાં એક-બે હોય, વધારે ના હોય.

પ્રશ્નકર્તા : એ વારંવાર આવ્યા કરે ?

દાદાશ્રી : હા, વારંવાર તે આવ્યા કરે.

પ્રશ્નકર્તા : પણ ગમે ત્યારે તો જાય ને ?

દાદાશ્રી : જવા માંડે. હિસાબ થવા માંડે એટલે ઓછું જ થાય. એ જવાને માટે વાંધો નથી, જવાના તો ખરા જ પણ આજે શું વાંધો આવ્યો ? પ્રતિક્રમણ કરું છું, પ્રત્યાખ્યાન કરું છું, પણ પાછાં આવે છે ?

એટલે અપ્રત્યાખ્યાન આવરણ કર્યા પ્રત્યાખ્યાન કરીને. પણ હવે એ પ્રત્યાખ્યાનનું આવરણ થયું તેનું શું થાય ?

પ્રશ્નકર્તા : એનુંય આવરણ થાય ?

દાદાશ્રી : હા, સાબુથી તો તું અત્યારે મેલ કાઢું, પણ સાબુનો મેલ આવ્યો તેનું ? એટલે પ્રત્યાખ્યાનાવરણ. એટલે પછી આમ કરતાં કરતાં વધતું વધતું ચોખ્ખું થાય ને એ પ્રત્યાખ્યાનાવરણ ! પ્રત્યાખ્યાન કર્યાં હોય તોય દોષ થાય તે પ્રત્યાખ્યાનાવરણ કષાય કહેવાય. કારણ કે જાથું પ્રતિક્રમણ કરેલુંને, તેથી.

સંજ્વલન કષાય

નિરંતર પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન હોય તેને પ્રત્યાખ્યાનાવરણ કહેવાય, એ છઠ્ઠું ગુંઠાણું. પહેલાંનાં અપ્રત્યાખ્યાનનું અત્યારે પ્રત્યાખ્યાન કરે. છઠ્ઠું નિશ્ચયનું ને વ્યવહારનું ગુંઠાણું બાપજીનું ક્યારે કહેવાય ? ક્ષણે ક્ષણે પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન હોય. પહેલાંનાં પ્રત્યાખ્યાનનું અત્યારે ઉદય આવ્યો હોય તે ત્યાગ વર્તે.

એટલે છઠ્ઠું ગુંઠાણું કોને કહેવાય ? કષાય કાર્યકારી થાય. રૂપકમાં દેખાય એવા કાર્યકારી થાય. રૂપક તો વાત જુદી છે, પણ કાર્યકારી કષાય દેખાય. હવે પ્રતિક્રમણ હોવા છતાં કાર્યકારી થાય છે, માટે પચ્ચખાણી પ્રતિક્રમણ કર્યા છે, છતાં હજી બાકી રહ્યું છે આ. આ ગાંઠ મોટી હોવાથી એ પ્રત્યાખ્યાની કહેવાય. પ્રત્યાખ્યાન આવરણ છે. અને મહીં ઉદય થાય પણ કાર્યકારી ના થાય તો એ સંજ્વલન કહેવાય. ધોલ-બોલ ના આપી દે. પ્રત્યાખ્યાનાવરણમાં પણ મહીં દુઃખ થાય, વેદના થાય. પણ સમાધિ રહે છે એ તો જ્યારે અનુભવ થાય ને ત્યારે ખબર પડે કે 'આ શું છે.' એટલે આ વાત જુદી જાતની છે !

ક્રોધ-માન-માયા-લોભ પ્રત્યાખ્યાની હોય. એટલે કેવાં ? કે બીજાને ખબર ના પડે. બીજો કોઈ બુદ્ધિવાળો પણ બુદ્ધિથી માપી ના જાય કે આ ક્રોધે ભરાયા છે. એ પોતે એકલા જ જાણે. એ પ્રત્યાખ્યાની હોય ! એટલે પંચ મહાવ્રતધારીની તો વાત જ ક્યાં થાય ? એવો જો કોઈ હોય તો બહુ થઈ ગયું ને આ કાળમાં. એ પ્રત્યાખ્યાની ગયા, એટલે પછી સંજ્વલન કષાયો રહ્યા.

ગુણસ્થાનકોની સમજણ

પ્રશ્નકર્તા : ગુણસ્થાનકો સમજાવો.

દાદાશ્રી : પહેલા ત્રણ ગુંઠાણા મોક્ષને માટે કામ લાગે નહીં, ત્યાં ચાલશે નહીં. એ તો મંદિરમાં આવ-જાય કરે એટલું જ. ભટક ભટક કરે. મહીં સમકિત થાય, ઉઘાડ થાય ત્યારે ચોથા ગુંઠાણેથી કામ લાગે. સમકિતનો ઉઘાડ થાય પછી. તેથી આ બધા પહેલા ત્રણ ગુંઠાણામાં ભટક-ભટક કર્યા કરે છે. ચોથામાં અજવાળું થાય. એ સમકિત થયું ત્યારથી આગળ વધે. પછી ચોથામાંથી પાંચમામાં આવે. વધારે પ્રતિક્રમણ કરતો કરતો છઠ્ઠામાં આવે. બસ એ જ પ્રતિક્રમણ કરતો કરતો આગળ વધે.

છઠ્ઠાથી નવમા ગુણસ્થાનકની દશાઓ

વ્યવહાર ગુંઠાણું બધાનું ફર્યા કરવાનું. કોઈ ચોથામાં આવે, કોઈ પાંચમામાં આવે, કોઈ છઠ્ઠામાં આવે. પહેલાં અપ્રત્યાખ્યાન હતાં, અપ્રતિક્રમણ હતાં. તે હવે આલોચના થઈ, પ્રતિક્રમણ થયાં, પ્રત્યાખ્યાન થયાં ! એટલે એ અપ્રત્યાખ્યાન આવરણ પણ ગયાં.

જેને હજુ વ્યવહારમાં જાડી 'ફાઈલો' છે તે હજુ છઠ્ઠા ગુંઠાણામાં આવ્યા કહેવાય.

વ્યવહારમાં છઠ્ઠું ગુંઠાણું કોને કહેવાય ? સ્ત્રી-પુરુષો, એ બધું છોડ્યું, તેને નહીં પણ અપ્રત્યાખ્યાન આવરણ ના હોવું જોઈએ. પ્રત્યાખ્યાન કરીએ તોય પાછું એનું એ જ દેખાય, એટલે ફરી પાછું ડુંગળીનું પડ દેખાય. એ પ્રત્યાખ્યાન આવરણ. કો'ક ફેરો કલાક બેસી જાય ત્યારે અપ્રમત આવે છે સાતમું ગુંઠાણું. વળી કો'ક ફેરો આઠમું અપૂર્વ આવે ! ત્યાં એવો આનંદ આનંદ થઈ જાય ને ! પણ નવમું ઓળંગાય નહીં. કારણ કે સ્ત્રી-પરિગ્રહ છે ત્યાં સુધી નવમું ગુંઠાણું ઓળંગાય નહીં.

કષાયભાવને લીધે અજાગૃતિ

પ્રશ્નકર્તા : બીજા તરફ અતિક્રમણ ન હોય અને કોઈ ને કોઈ કષાય ના હોય તો, તે વગર સો ટકા જ્ઞાતા-દ્રષ્ટા કેવી રીતે રહેવાય ?

દાદાશ્રી : એમ નહીં, કોઈના તરફ ભલે અતિક્રમણ વિચારમાંય ન હોય, પણ મન તો કોઈને કોઈ કષાયમાં હોય જ, રાગમાં ના હોય તો દ્વેષમાં હોય. જ્ઞાતા-દ્રષ્ટામાં ના રહેવાય ત્યાં સુધી કષાય જ હોય.

પ્રશ્નકર્તા : આ કોઈ પણ વિચાર ચાલતો હોય ને એમાં કોઈને કોઈ કષાય હોય જ છે ?

દાદાશ્રી : હોય જ, હોય જ. પણ જે વિચારો આપણે જોઈ શકીએ એ વિચારમાં કષાય નથી.

પ્રશ્નકર્તા : એ ગૂંચળું આખું આવીને જાય પછી જ ખબર પડે ?

દાદાશ્રી : ના, એને જોઈ શકીએ, પછી ખબર પડે. તો પણ ત્યાં સુધી કષાય કહેવાય.

પ્રશ્નકર્તા : પંદર-વીસ મિનિટ ચાલે પછી દેખાય.

દાદાશ્રી : કષાય આપણી જાગૃતિ બંધ કરી દે. એટલે જ્ઞાતા-દ્રષ્ટાપણું ના રહેવા દે. અને જો આપણને ખરાબમાં ખરાબ વિચાર આવતા હોય અને તે જોયા કરીએ તો કષાયનો કોઈ ભાગ અડતો નથી.

કષાય પરવશપણે, પ્રતિક્રમણ સ્વવશપણે

આ અક્રમ વિજ્ઞાન એટલું સ્વીકાર કરે છે તે ક્રોધ-માન-માયા-લોભ એ બંધ હોય તો જ સંયમ છે. નહીં તો એ થાય તો પ્રતિક્રમણ કરજો. કારણ કે એ અતિક્રમણ છે. વિષયો એ અતિક્રમણ હોતા નથી અને આ કષાયો એ અતિક્રમણ કહેવાય. એ અતિક્રમણનું પ્રતિક્રમણ શીખવાડેલું છે. અતિક્રમણથી જગત ઊભું થયું છે ને પ્રતિક્રમણથી બંધ થઈ જશે. કષાયોના વ્યવહારથી જગત ઊભું થયું છે, વિષયોના વ્યવહારથી નથી થયું. કષાયોના વ્યવહારથી જગત થયું છે, એ અતિક્રમણ કહેવાય અને પ્રતિક્રમણ કરો તો ધોવાઈ જાય. કષાય થવા એ પરવશતાથી થાય છે અને એનું પ્રતિક્રમણ કરવું એ સ્વવશતાથી થાય છે. એટલે પુરુષાર્થ પ્રતિક્રમણથી છે.

તમારામાં અહંકાર અને માન એ જાય છે કે નહીં, ઓછા થાય છે કે નહીં ?

પ્રશ્નકર્તા : ઓછા થાય છે.

દાદાશ્રી : હં. તો એ બધો જે માલ છે તે જવા માંડ્યો, એ બાર મહિના થાય એટલે ચાલતા થયા. આ માલ છે એ ઓછો થઈ ગયો એટલે આત્મા થઈ ગયા.

પ્રશ્નકર્તા : આ ક્રોધ-માન-માયા-લોભ એ ડિસ્ચાર્જ છે, એટલે આવે તો ખરાં, પણ હવે એને જોયા પછી પોતે છૂટા કેવી રીતે રહે ?

દાદાશ્રી : જાગૃતિ ઓછી, ડીમ થઈ જાય તો એમણે શું કરવું પડે ? આજ્ઞામાં જ રહેવાનો પ્રયત્ન કર્યા જ કરવો. પછી ઢસરડો વાળે ને આજ્ઞામાં ના રહે, તો પછી એનું એ જ !

એ તો બધા કષાયો ભરેલાં છે તે નીકળ્યા જ કરે અને તમારે એને જોયા કરીને પછી ચંદુભાઈ (ફાઈલ નં.૧)ને કહીએ, 'પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણથી બધાં જ કર્મ ભૂંસાઈ જાય. કર્તાની ગેરહાજરી છે, માટે સંપૂર્ણ ભૂંસાઈ જાય. કર્તાની ગેરહાજરીમાં આ ફળ આપણે ભોગવીએ છીએ. કર્તાની ગેરહાજરીમાં ભોક્તા છીએ. માટે આ ભૂંસાઈ જાય અને આ જગતમાં લોકો કર્તાની હાજરીમાં ભોક્તા છે. એટલે પ્રતિક્રમણ કરે તોય પણ એને થોડું ઢીલું થાય પણ ઊડી ના જાય. ફળ આપ્યા વગર રહે નહીં અને તમારે તો એ કર્મ ઊડી જ જાય.

જો ઉપયોગમાં રહે પછી કશું રહેતું જ નથી. પછી કશું કચરો વાળવાનું જ નથી રહેતું. એનું નામ જ સાફ કર્યું કહેવાય. સાફ થઈ ગયેલું હોય તો ઉપયોગમાં રહેવાય અને ના હોય તો જરીક ઉપયોગ ખચકાય. થોડીકવાર રહે, થોડીકવાર ના રહે.

અજ્ઞાનથી બાંધેલા હિસાબ જોઈને કાઢો

પ્રશ્નકર્તા : કોઈ વખત એવું થાય કે દોષ થતી વખતે દેખાતું હોય તોય આ કર્યા કરે.

દાદાશ્રી : ના, એ અટકે નહીં. અટકાવવું એ ગુનો કહેવાય. કારણ કે ચાલુ ફિલ્મને જોઈ રહેવાની છે. પછી મારામાર કરતો હોય કે અહિંસા કરતો હોય કે હિંસા કરતો હોય. જોનારને હરકત નથી. એ મારામાર કરતી વખતે રડી ઊઠે તેનો વાંધો છે કે એમ ના મારશો, ના મારશો. અલ્યા ! આ ભરેલી જ ફિલ્મ છે. એટલે જોનારને કોઈ વાંધો નથી.

પ્રશ્નકર્તા : પણ એવી રીતે થતું હોય ને, ત્યારે ખબર પડેને આપણને ? અંદર વઢીએ પણ ખરા, કે આ તમે કરો છો એ સાચું નથી, તોય પાછા એક બાજુથી એ માને નહીં, તે કરે જ.

દાદાશ્રી : એનો વાંધો નહીં. કારણ કે 'જોનાર' શુદ્ધ છે. જુએ છે એ સારું અને ખરાબ છે, પણ તે સાપેક્ષ દ્ષ્ટિથી છે. આપણને, જોનારને માટે સારું-ખરાબ હોતું નથી. જોનારને તો બધું સરખું જ છે. આ તો લોકોના મનમાં આ સારું-ખોટું છે, બાકી ભગવાનને ઘેર સારું-ખોટું છે નહીં. સમાજને સારું-ખોટું છે. ભગવાન તો શું કહે છે, જોઈ ગયો એટલે છૂટો થઈ ગયો ! એ છૂટો ને આ છૂટું !

એટલે શું થયું કે, અજ્ઞાને કરીને, અણસમજણે કરીને બાંધેલા હિસાબ એ 'જોઈને' કાઢો. એટલે તમે છૂટા ને એ છૂટા. 'જોયા' વગર બાંધેલા હિસાબ 'જોઈને' કાઢો એ છૂટા !

આ ટાંકી ખલાસ થતી થતી થતી અંતે જ્યારે ખલાસ થવા આવશે ને, ત્યારે તમને શરીર હલકું ફૂલ જેવું લાગશે. અહીં જ છૂટી ગયા એવું લાગશે.

પરિણામ સ્વરૂપે પણ કષાય રહિતતા

આ દેહમાં સહેજ પણ ક્રોધ જેવી વસ્તુ ના હોવી જોઈએ. એટલે ક્રોધનું પરમાણુ ના હોવું જોઈએ, લોભનું પરમાણુ ના હોવું જોઈએ, માનનું પરમાણુ, કપટનું કોઈ પરમાણુ રહે નહીં, ત્યાર પછી એ ભગવાન કહેવાય.

પ્રશ્નકર્તા : કષાયની કમ્પ્લીટ (સંપૂર્ણ) શૂન્યતા થવી જોઈએ ?

દાદાશ્રી : એ તો જાણે ગયા, કષાય તો ગયા, ત્યાર પછી એનું પરમાણુ પણ ના રહેવું જોઈએ, એટલે પરિણામ સ્વરૂપે પણ ના રહેવું જોઈએ. કષાયનું જવું એટલે શું કે કૉઝિઝ (કારણ) સ્વરૂપે જવું એનું નામ કષાય જવું કહેવાય. પણ એનું પરિણામ પણ જતું રહે છે, શરીરમાં પરિણામ ના રહે. હમણાં 'કૉઝિઝ' તો તમારા જતા રહેલા, પણ પરિણામ સ્વરૂપે હોય, કોઈ જગ્યાએ ચોંટેલું.

પ્રશ્નકર્તા : ડિસ્ચાર્જ એ પણ પૂરો થઈ ગયો હોય ?

દાદાશ્રી : હા, એ દશા મેં જોયેલી. ત્યારે તો આ મૂળ સ્વરૂપ ઉત્પન્ન થાય, અનુભવ થાય, નહીં તો ના થાય. આત્મા દેખાય નહીં. કષાયનો અભાવ ત્યાં જ આત્મા રહેલો છે.

પ્રશ્નકર્તા : અને તે સંપૂર્ણ અભાવ ?

દાદાશ્રી : તે હોઈ શકે નહીં, ઈમ્પોસિબલ (અશક્ય) વસ્તુ છે આ કાળમાં અને સુષમકાળમાં ઈમ્પોસિબલ જેવી વસ્તુ છે નહીં.

પ્રશ્નકર્તા : એટલે કષાયના ઉદ્ભવસ્થાનમાં પણ ન હોય, જ્યાં એનો ઉદ્ભવ થાય છે ત્યાં પણ ના હોય ?

દાદાશ્રી : ત્યાં પણ ન હોય.

અહંકાર ઓગળ્યે સનાતન સુખ

જેટલું ઊંધું ચાલ્યા તેટલો 'ઇગોઇઝમ' વધે ને જેટલો 'ઇગોઇઝમ' ઓગળે તેટલું સુખ વર્ત્યા કરે. અમારે 'ઇગોઇઝમ' ખલાસ થઇ ગયો હોય, તેથી નિરંતર સનાતન સુખ રહે. દુઃખમાંય સુખ રહે તે ખરું સુખ. કોઇ અપમાન કરે ત્યારેય પોતાને મહીં સુખ લાગે ત્યારે એમ થાય કે, 'અહોહો ! આ કેવું સુખ !'

આત્મામાં પરમ સુખ જ છે પણ કલુષિત ભાવને લીધે એ સુખ આવરાય છે. આ સુખ ક્યાંંથી આવે છે ? વિષયોમાંથી ? માનમાંથી ? ક્રોધમાંથી ? લોભમાંથી ? આ કશામાંથી ના આવે તો સમજવું કે આ સમકિત છે.

જ્યાં કંઇ પણ દુઃખ થતું નથી ત્યાં આત્મા છે.

તેમ તેમ આત્મવીર્ય પ્રગટે

મહીં અનંત શક્તિ છે. અનંત સિદ્ધિ છે પણ અવ્યક્તરૂપે રહેલી છે. મહીં રૂપાળી, રળિયામણી શકિતઓ છે ! ગજબની શક્તિઓ છે તે મૂકીને બહારથી કદરૂપી શક્તિઓ વેચાતી લાવ્યા. સ્વભાવકૃત શક્તિઓ કેવી સુંદર છે ! અને આ વિકૃત શક્તિઓ બહારથી વેચાતી લાવ્યા ! મહીં દ્ષ્ટિ જ પડી નથી. આત્મા પ્રાપ્ત થાય એટલે એ શક્તિઓ વ્યકત થવા માંડે.

આત્મશક્તિઓને આત્મવીર્ય કહેવાય. આત્મવીર્ય ઓછું હોય તો તેનામાં નબળાઈ ઉત્પન્ન થાય, ક્રોધ-માન-માયા-લોભ ઉત્પન્ન થાય. અહંકારને લઈને આત્મવીર્ય તૂટી જાય. તે જેમ જેમ અહંકાર ઓગળે તેમ તેમ આત્મવીર્ય ઉત્પન્ન થતું જાય. જ્યારે જ્યારે આત્મવીર્ય ઘટતું લાગે ત્યારે પાંચ-પચીસ વખત મોટેથી બોલવું કે, 'હું અનંત શક્તિવાળો છું.' એટલે શક્તિ ઉત્પન્ન થાય. મોક્ષે જતાં અનંત અંતરાયો છે. તેથી મોક્ષે જવા માટે સામી અનંત શક્તિ છે.

આ અવળી શક્તિથી સંસાર ઊભો થઈ ગયો. હવે સવળી શક્તિ એટલી બધી છે કે જે બધાં જ વિઘ્નો તોડી આપે. તેથી જ તો આપણે પેલું વાક્ય બોલાવીએ છીએ. 'મોક્ષે જતાં વિઘ્નો અનેક પ્રકારનાં હોવાથી તેની સામે હું અનંત શક્તિવાળો છું.' જ્ઞાતા-દ્રષ્ટા રહેવાથી તમામ વિઘ્નોનો નાશ થઈ જાય. બાકી મોક્ષ તો આ રહ્યો, તમારી પાસે જ પડ્યો છે. મોક્ષ કંઈ છેટો છે ? અંતરાય પડ્યા છે વચ્ચે.

જય સચ્ચિદાનંદ