|
પરમ પૂજ્ય દાદાશ્રીના જીવનના વિશેષ પ્રસંગો સંપાદકીય જીવનમાં અવનવા પ્રસંગો તો આવતા જ રહેતા હોય છે અને પ્રસંગોને અનુરૂપ વ્યવહાર આચરણ થઈ જતું હોય છે. કોઈક જ એવી વિરલ વ્યક્તિ હોય છે, જે પ્રસંગોમાંથી તારણ કાઢી જીવનને આદર્શ અને મંગલમય બનાવતા હોય છે. એવી જ આદર્શ વિભૂતિ પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી)ના વ્યક્તિત્વથી આપણે ક્યાં અજાણ છીએ કે જેમણે જીવનને જુદા જ અભિગમથી જીવી લઈને વિશિષ્ટ વ્યવહાર જ્ઞાન જગતને પ્રદાન કર્યું ! એકલા અધ્યાત્મમાં અથવા તો એકલા વ્યવહારમાં એકાંગી બનીને જીવન વ્યવહારને પૂર્ણ ન્યાય આપી શકાય નહીં. દાદાશ્રીએ બંને પાસાને પોતાની આગવી શૈલીથી મૂલવીને પોતાના જીવનને તો ઉજાળ્યું પણ અનેકોના જીવનને ઉજાળી મોક્ષમાર્ગના પથદર્શક બની રહ્યા. દાદાશ્રીનું બાળપણથી જ એક આગવું ચારિત્ર હતું. એ ચારિત્રબળને આધારે હંમેશાં વંદનીય ને પૂજનીય બની રહ્યા. કોઈનાય માટે ક્યારેય નેગેટિવ દ્રષ્ટિ નહીં, બાળકોયુવાનો કે વૃદ્ધો સહુના પોઝિટિવ ગુણોને પ્રોત્સાહિત કરી સહુમાં આત્મવિશ્ચાસ અને નિષ્ઠાનું પ્રેમપૂર્વક સિંચન કરતા રહ્યા. તેથી જ તો બાળકો ને યુવાનો દાદામય બની જગતકલ્યાણનો નિર્ધાર કરી જગતકલ્યાણના યજ્ઞમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. દાદાશ્રી હંમેશાં યુવાન પેઢીને પ્રોત્સાહન આપી કહેતા કે આ હેલ્ધિ માઈન્ડ (તંદુરસ્ત મન)ની પ્રજા જગત કલ્યાણનું મોટું નિમિત્ત બનશે. અને આજે અનેક યુવાનયુવતીઓ દાદાઈ યજ્ઞમાં તનમનધનથી ન્યોછાવર થઈ મોટું નિમિત્ત બની રહ્યા છે. અહીં પરમ પૂજ્ય દાદાશ્રીની દીર્ધદ્રષ્ટિનું અનેરું દર્શન આપણને ઉપલબ્ધ થાય છે. અગાઉ દાદાશ્રીના બાળપણ, દામ્પત્યજીવન, વ્યવસાય, વ્યક્તિત્વ સંબંધી જીવન પ્રસંગો જન્મશતાબ્દી વર્ષ દરમ્યાન પ્રકાશિત થયા હતા. અત્રે આ અંકમાં જ્ઞાનીના આદર્શ ગુણો જેવાં કે એડજસ્ટમેન્ટ, સહજતા, સરળતા, સમતા, પ્રેમસ્વરૂપ, અભયદાન, ચારિત્રબળ, પોઝિટિવ થિંકિંગ, અકર્તાપણું, પ્રકૃતિની ઓળખ તથા આદર્શ સિદ્ધાંતો જેવાં કે ભણતર સાથે ગણતરની કિંમત, ભોગવે એની ભૂલ, બન્યું એ જ ન્યાય, કાઉન્ટરપુલીની ગોઠવણી વિવિધ પ્રસંગો દ્વારા જાણવા મળે છે. સાથે સાથે મશ્કરીશંકાઆડાઈના જોખમો, પ્રચાર માધ્યમનો સવળો ઉપયોગ, હેલ્ધિ માઈન્ડવાળી આજની યંગ જનરેશન તથા જ્ઞાનીનું અદભૂત વ્યક્તિત્વ દર્શાવતા દાદાશ્રીના જીવનના વિશેષ પ્રસંગોનું સંકલન કરવા પાછળ એમની વિશિષ્ટ પ્રતિભાને ખુલ્લી કરવાનો અભિગમ રહેલો છે. તે પ્રતિભાને આપણે જાણીએ, તેમના સિદ્ધાંતોને ઓળખીએ, આદર્શોને અનુસરીએ, સમજને વિકસાવીએ અને એમને પગલેપગલે ડગ માંડી જ્ઞાની જેવા ઉત્કૃષ્ટ ગુણો આપણામાં પ્રગટ થાય એ જ અભ્યર્થના. - જય સચ્ચિદાનંદ (પા.૨) પરમ પૂજ્ય દાદાશ્રીના જીવનના વિશેષ પ્રસંગો પૌદગ્લિક પર્યાયો જોયા કેવળજ્ઞાનમાં અમારા વખતમાં કહેતા હતા કે, ‘દુનિયા દિવાની કહેવાશે રે, ભૂંડી ભીંતોમાં ભટકાશે. પાપેય એનું જ્યારે પ્રગટ થાશે, ત્યારે ભૂવા-જતિ ઘેર જાશે.’ પાપ જ્યારે એનું પ્રગટ થશે, ત્યારે ભૂવાજતિઓને ત્યાં જઈને દોરાધાગા કરાવે ને ફલાણું કરાવે. એટલે પાપ એનું પ્રગટ થાય પછી એ ભૂવા ખોળે, જતિ ખોળે એવું કોઈ કવિએ ગાયું છે. પ્રશ્નકર્તા : દાદા, આ પદ ક્યારે વાંચેલું તમે? દાદાશ્રી : આ તો પંચાવન વર્ષ (પહેલા)ની વાત. એ બહુ જૂની નથી, બેપાંચ હજાર વર્ષની વાત નથી. પ્રશ્નકર્તા : પણ તમને યાદ બધું કેમનું રહે છે? દાદાશ્રી : અમને કશું યાદ ના હોય. આજ સોમવાર છે કે મંગળવાર છે તે જ મને યાદ ના આવેને ! પ્રશ્નકર્તા : તો આ બધું ક્યાંથી નીકળ્યું, દાદા? દાદાશ્રી : આ તો અમને દેખાય આમ ! આ જ્ઞાનમાં અમને બધું દેખાય. બધા પર્યાયો અમને ખબર પડે. દરેક પૌદગ્લિક પર્યાય જે પણ છે ને, એ બધાં અમને સૂક્ષ્મરૂપે દેખાય. આમ ફર્યા કે તરત પેલું દેખાય, એટલે અમે બોલીએ. માફક આવે એવી ચીજ દેખાય, તે બોલી નાખીએ. અમે આવું ક્યાં યાદ રાખીએ ? અમને ઠેઠ સુધીનું, નાનપણમાં હતો ત્યાં સુધીનું બધું દેખાયા જ કરે. બધા પર્યાય દેખાય. તોફાની ખરા પણ મમતા રહિત આવું હતું..... આવું હતું, પછી આવું હતું. સ્કૂલમાં અમે ઘંટ વાગ્યા પછી જતા હતા. એ બધુંય અમને દેખાય. સાહેબ ચિઢાયા કરે. કહેવાય નહીં ને ચિઢાયા કરે. પ્રશ્નકર્તા : આપ ઘંટ વાગ્યા પછી કેમ જતા હતા ? દાદાશ્રી : એવો રોફ ! મનમાં એવી ખુમારી. પણ એ પાંસરા ના થયા ત્યારે જ આ દશાને ! પાંસરો માણસ તો ઘંટ વાગતા પહેલાં જઈને બેસી જાય. પ્રશ્નકર્તા : રોફ મારે એ અવળો રસ્તો કહેવાય? દાદાશ્રી : એ તો અવળો જ રસ્તો ને ! ઘંટ વાગ્યા પછી ભાઈ આવે, સાહેબ પહેલાં આવ્યા હોય! અને સાહેબ મોડા આવે તો ચાલે, પણ છોકરાં તો ઘંટ વાગ્યા પહેલાં નિયમથી આવે ને ! પણ આ આડાઈ. ‘સાહેબ એના મનમાં શું સમજે છે ?’ કહેશે. લે ! અલ્યા, ભણવા જવું છે કે તારે બાખડી બાંધવી છે ? ત્યારે કહે, ‘ના, બાખડી પહેલા બાંધવાની.’ એને બાખડી બાંધવાની કહેવાય. તમે બાખડી શબ્દ સાંભળેલો? તમે હઉ સાંભળેલો ? ત્યારે સારું. પ્રશ્નકર્તા : તે સાહેબ તમને કશું કહી ના શકે? દાદાશ્રી : કહેય ખરા, પણ (આમ) કહેવાય નહીં. એને ભડક લાગે કે બહાર પથરો મારશે, માથું તોડી નાખશે. પ્રશ્નકર્તા : દાદા, તમે આવાં તોફાની હતા ? દાદાશ્રી : ખરા, તોફાની ખરા. માલ જ તોફાની બધો, આડો માલ. પ્રશ્નકર્તા : અને એમાં આવું ‘જ્ઞાન’ થઈ ગયું, એ તો બહુ કહેવાય ! દાદાશ્રી : ‘જ્ઞાન’ થઈ ગયું, કારણ કે મહીં ચોખ્ખું હતું ને ! મમતા નહોતી. વાંધો જ આ અહંકારનો (પા.૩) હતો. પણ મમતા નહોતી એટલે આ દશા થઈ ! સહેજે મમતા નહીં, લાલચ નહીં પણ મારું નામ દીધું કે પેલાનું આવી બન્યું. એટલે કેટલાક તો મારી પાછળ એવું કહે, આની ટેસી બહુ જ છે. ત્યારે કેટલાક તો કહેશે, ‘અરે, જવા દો ને, તુંડમિજાજી છે.’ એટલે મારા માટે શું શું વિશેષણ વપરાય, તે બધું પાછળ રહીને જાણું પાછો. પણ મને મમતા નહોતી, એ મુખ્ય ગુણ સરસ હતો. એનો પ્રતાપ આ ! અને મમતાવાળો સો ગણો ડાહ્યો હોય તોય સંસારમાં જ ઊંડો ઊતરેલો હોય. આ મમતા એ જ સંસાર છે, અહંકાર એ સંસાર નથી. અમે મમતારહિત, તે ખરેખર મઝા આવી. તે મનેય લાગ્યું કે હવે હું પાંસરો થઈ ગયો. કોઈએ મને પાંસરો કરવો ના પડે. પ્રશ્નકર્તા : કેવી રીતે પાંસરા થઈ ગયા, દાદા? દાદાશ્રી : લોકોએ મારીઠોકીને, ઊંધુંચત્તું કરીને, આમતેમ સકંજામાં લઈને પણ પાંસરો કરી નાખ્યો. પ્રશ્નકર્તા : એ આગલા અવતારોમાંથી ચોખ્ખું થતું ગયેલું ને ? દાદાશ્રી : કેટલાય અવતારથી આ પાંસરા થતા આવેલા, ત્યારે આ અવતારમાં પૂરો પાંસરો થયો. પાંસરો તો લોકોએ મને બહુ કરી નાખ્યો છે. પાંસરો થયો ત્યારે જ્ઞાની થયો ! પ્રશ્નકર્તા : દાદા, આપ તો જ્ઞાની પુરુષ, અમારા મનમાં તો પ્રગટ પરમાત્મા જેવા, અમને મનમાં વસી ગયા અને આપને મોઢે અમે એવું સાંભળીએ કે અનંતકાળથી માર ખઈ ખઈને હું પાંસરો થયો છું. એવું આપ જ્યારે કહો, ત્યારે અમારો પુરુષાર્થ કેટલો બધો જાગૃત થાય ? દાદાશ્રી : હા, બરાબર છે. તમે જો નથી થયા તો હજુ થવું પડશે. મારું કહેવાનું કે જ્ઞાન આપ્યા પછી પાંસરું થવું પડશે. માટે થઈ જજો. જ્યાં આગળ કોઈ અવળું આપેને, રસ્તે જતા તો ઉપકાર માનજો કે આપણને પાંસરા કરે છે આ. ઉપકાર માનજો. કોઈ ક્લાયન્ટ (ઘરાક) છે તે અવળું બોલીને પાંસરો કરવા માંડે તો આપણે જાણવું ઉપકારી છે આ. પાંસરો થયે જ છૂટકો ને (લોકો) મારી મારીને પાંસરો કરે ! બૈરી મારીને પાંસરો કરે ! પાડોશી, સગાંવહાલાં બધા મારીને પાંસરો કરે ! પાંસરા કરે કે ના કરે ? તમને કોઈએ પાંસરા નહીં કરેલા ? હું કેટલાય અવતારથી માર ખાતો ખાતો આવ્યો, ત્યારે પાંસરો થયો. તે ગમે ત્યાં એડજસ્ટ થઈ શકું છું. એવરીવ્હેર, એની પ્લેસ (કોઈપણ જગ્યા) પર એડજસ્ટ થઈ શકું છું. પાંસરો તો થયે છૂટકો છે ને, તેથી જ અમે પુસ્તકમાં લખ્યું, ‘એડજસ્ટ એવરીવ્હેર’. એડજસ્ટમેન્ટ લઈ કરવો નિકાલ એક વખત અમે નહાવા ગયા ને પ્યાલો જ મૂકવાનો રહી ગયેલો. તે અમે જ્ઞાની શેના ? એડજસ્ટ કરી લઈએ. હાથ નાખ્યો તો પાણી બહુ ગરમ, નળ ખોલ્યો તો ટાંકી ખાલી. પછી અમે તો ધીમે ધીમે હાથેથી પાણી ચોપડી ચોપડી ટાઢું પાડીને નહાયા. બધા મહાત્માઓ કહે, ‘આજે દાદાને નહાતાં બહુ વાર લાગી.’ તે શું કરીએ ? પાણી ટાઢું થાય ત્યારે ને ? અને કોઈનેય ‘આ લાવો ને તે લાવો’ એમ ના કહીએ. એડજસ્ટ થઈ જઈએ. એડજસ્ટ થવું એ જ ધર્મ છે. આ દુનિયામાં તો પ્લસમાઈનસનું એડજસ્ટમેન્ટ કરવાનું હોય. માઈનસ હોય ત્યાં પ્લસ અને પ્લસ હોય ત્યાં માઈનસ કરવાનું. અમે તો અમારા ડહાપણનેય જો કોઈ ગાંડપણ કહે તો એમ કહીએ, હા, બરાબર છે. તે માઈનસ તુર્ત જ કરી નાખીએ. એડજસ્ટ થઈ લાવો ઉકેલ હું તો સાંતાક્રૂઝમાં ત્રીજે માળે બેઠો હોઉં તો ચા આવે. તે કોઈ દહાડો જરા ખાંડ ભૂલી ગયા હોય તો હું પી જઉં અને તેય દાદાના નામથી. મહીં દાદાને (પા.૪) કહું, ચાની મહીં ખાંડ નાખો, સાહેબ. તે દાદા નાખી આપે! એટલે ખાંડ વગરની ચા આવે તો પી જઈએ, બસ. અમારે તો કશો ડખો જ નહીં ને ! અને પછી પેલો ખાંડ લઈને દોડધામ કરીને આવે. મેં કહ્યું, ભઈ, કેમ ખાંડ લાવ્યો ? આ ચાના કપરકાબી લઈ જા. ત્યારે કહે, તમે ચા મોળી હતી તે ખાંડ માંગી નહીં! મેં કહ્યું, ‘હું શું કરવા કહું ?’ તમને સમજણ પડે એવી વાત છે. વ્યવહાર બધો છે નિકાલી કોઈ કહેશે, મને ગામડે નહીં ફાવે. તે હજુ આગળ ફરીને નિકાલ કરવો પડશે. નહીં તો જો સહજાસહજ આવ્યું ને ઉકેલ લાવી નાખો કે ગયું મૂળમાંથી. મુંબઈવાળાને ગામડે શી રીતે ફાવે ? તમે તો બંગલામાં રહેલા. હું તો કોન્ટ્રાક્ટનો ધંધો કરનાર, તે અમને બધું ફાવે. એ પછી એને અસર નથી રહેતી. નાના ગામનાં મોટા માણસો હોયને, એને કહીએ કે ચાલીને જવું છે કે તમારે આ ટ્રેક્ટરમાં બેસીને આવવું છે ? ત્યારે કહેશે, આ ટ્રેક્ટરમાં બેસી જઈએ. ચાલીને થાકવું શું કરવા ? અને તમે શું કહો કે ચાલીને જવું છે. કારણ કે બેઠેલા જ નહીંને આમાં અને અમે તો ગાડામાં બેઠેલા, ડમણિયામાં બેઠેલા, અમે બધાય વેશમાં ફરી આવ્યા. અમારે કોઈ વેશ બાકી નહીં રહેલોને ! અને તેય નિકાલ લાવવો જોઈએને? અવળું આવ્યું હોયને તોય નિકાલ લાવી દેવો. મશ્કરીના જોખમ ઘણા મને પહેલા (નાનપણમાં) મશ્કરીની બહુ ટેવ હતી. મશ્કરી એટલે કેવી કે બહુ નુકસાનકારક નહીં, પણ સામાને મનમાં અસર તો થાય ને ! આપણી બુદ્ધિ વધારે વધેલી હોય, તેનો દુરુપયોગ શેમાં થાય? ઓછી બુદ્ધિવાળાની મશ્કરી કરે એમાં ! આ જોખમ જ્યારથી મને સમજાયું, ત્યારથી મશ્કરી કરવાની બંધ થઈ ગઈ. મશ્કરી એ કંઈ થતી હશે ? મશ્કરી એ તો ભયંકર જોખમ છે, ગુનો છે ! મશ્કરી તો કોઈનીય ના થાય. તમે તો અત્યારે આ વાત જાણી કે મશ્કરી કરવી એ ગુનો છે, હું તો નાની ઉંમરમાં જાણતો હતો, તોય આઠદસ વર્ષ સુધી મશ્કરી થયા કરી. પ્રશ્નકર્તા : પણ વધારે બુદ્ધિવાળાની મશ્કરી કરીએ તો શો વાંધો? દાદાશ્રી : ના, પણ ઓછી બુદ્ધિવાળો મશ્કરી સ્વાભાવિક રીતે કરે જ નહીં ને ! બાકી, મેં બધી જાતની મશ્કરીઓ કરેલી. હંમેશાં બધી જાતની મશ્કરી કોણ કરે ? બહુ ટાઈટ બ્રેઈન (શક્તિશાળી મગજ) હોય તે કરે. હું તો લહેરથી બધાંની મશ્કરી કરતો હતો, સારાસારા માણસોની, મોટામોટા વકીલોની, ડૉક્ટરોની મશ્કરી કરતો. હવે એ બધો અહંકાર તો ખોટો જ ને ! એ આપણી બુદ્ધિનો દુરુપયોગ કર્યોને! મશ્કરી કરવી એ બુદ્ધિની નિશાની છે. દીધા રક્ષણ અન્ડરહેન્ડને હંમેશાં મેં મારી લાઈફમાં ધંધો શો કરેલો ? ઉપરી જોડે બળવો અને અંડરહેન્ડનું રક્ષણ. આ મારો નિયમ. બળવો તો ખરો પણ ઉપરી જોડે. જગત આખું ક્યાં આગળ વશ થાય ? ઉપરીને ! અને અંડરહેન્ડને ટૈડકાવ ટૈડકાવ કરે. અને હું ઉપરીની જોડે બળવો કરી લઉં, એટલે લાભેલો (લાભ પામેલો) નહીં. તો અહીં આગળ મને પડેલીય નહોતી. પણ અંડરહેન્ડને બહુ સાચવેલા. અંડરહેન્ડ જે થઈ ગયા એનું તો બિકુલ રક્ષણ કરવાનું, આ મોટામાં મોટો ગુણ. પ્રશ્નકર્તા : ક્ષત્રિય ખરા ને ! દાદાશ્રી : હા, ક્ષત્રિય, આ ક્ષત્રિય ગુણ, તે રસ્તે જતાં કોઈ લડતાં હોય, તો જે હાર્યો હોય, જેણે માર ખાધો, એના પક્ષમાં રહું, એ ક્ષત્રિયપણું અમારું! આપો અભયદાન સહુને હું સિનેમા જોવા જતો હતો, નાની ઉંમરમાં ૨૨૨૫ વર્ષની ઉંમરમાં. તે પાછો આવું તો રાતના બારસાડાબાર વાગેલા હોય. એ આવું એટલે પેલા બૂટ ખખડે એ અમે પેલી ચકતીઓ નંખાવીએ એટલે (પા.૫) ખખડાટ થાય ને રાત્રે અવાજ બહુ સારો આવે. રાત્રે કૂતરાં બિચારાં સૂઈ રહ્યાં હોય, તે નિરાંતે આમ કરીને સૂતાં હોય, તે આમ કરીને કાન ઊંચા કરે. તે આપણે સમજીએ કે ચમક્યું બિચારું આપણે લીધે ! આપણે તો એવા કેવા જન્મ્યા આ પોળમાં કે આ કૂતરાં આપણાથી ચમકે છે ? એને ચમકાટ (ભડકાટ) ના થવો જોઈએ. કોઈ જીવને દુ: ખ ના થવું જોઈએ. તે અમારા બૂટના અવાજથી કૂતરું જાગી ના જાય એટલે અમે સાચવીને ચાલીએ. એ કૂતરાંનેય ઊંઘ તો હોય ને ! એમને બિચારાંને પથારીબથારી તો રામ તારી માયા ! તો એમને શાંતિથી સૂવા પણ ના દેવાય ? એટલે પહેલેથી, છેટેથી બૂટ કાઢી અને હાથમાં ઝાલીને આવું. છાનોમાનો પેસી જઉં પણ પેલાને ચમકવા ના દઉં. આ નાની ઉંમરમાં મારો પ્રયોગ. સિનેમા સવળું પણ કરશે ૧૯૨૮માં હું સિનેમા જોવા ગયો હતો, ત્યાં મને આ પ્રશ્ન ઉત્પન્ન થયો હતો કે ‘અરેરે ! આ સિનેમાથી તો આપણા સંસ્કારનું શું થશે ? અને શી દશા થશે આ લોકોની?’ પછી બીજો વિચાર આવ્યો કે, ‘શું આ વિચારનો ઉપાય છે આપણી પાસે ? કોઈ સત્તા છે આપણી પાસે ? કોઈ સત્તા તો છે નહીં, તો આ વિચાર આપણા કામનો નથી. સત્તા હોય તો એ વિચાર કામનો, જે વિચાર સત્તાની બહાર હોય અને એની પાછળ મથ્યા કરીએ એ તો ઈગોઈઝમ (અહંકાર) છે.’ એટલે પછી બીજો વિચાર આવ્યો કે ‘શું આમ જ થવાનું છે આ હિન્દુસ્તાનનું ?’ તે દહાડે અમને જ્ઞાન નહોતું. જ્ઞાન તો ૧૯૫૮માં થયેલું. ૧૯૫૮માં જ્ઞાન થયું, તે પહેલાં અજ્ઞાન તો ખરું જ ને ! કંઈ અજ્ઞાન કોઈએ લઈ લીધેલું ? જ્ઞાન નહોતું પણ અજ્ઞાન તો ખરુંં જ ને ! પણ ત્યારે અજ્ઞાનમાં એ ભાગ દેખાયો કે ‘જે અવળું જલદી પ્રચાર કરી શકે છે તે સવળું પણ એટલી જ ઝડપથી પ્રચાર કરશે. માટે સવળાના પ્રચારને માટે એ સાધનો બહુ સારામાં સારાં છે.’ આ બધું ત્યારે વિચારેલું, પણ ૧૯૫૮માં જ્ઞાન પ્રગટ થયું ત્યારથી એના પ્રત્યે જરાય વિચાર નહીં આવેલા. અનુભવ પછી ચેતીને રહ્યા કોઈક માણસ મુંબઈ જતો હોય વડોદરેથી, સૂઈ રહેવાની રાહ જોતો હોય અને પાલઘર આવે ત્યારે ગાડીમાં કંઈક જગ્યા થઈ, તો હવે એ બિસ્તરો પાથરે, ત્યારે આપણે ના સમજીએ કે આ મૂરખ માણસ છે? આ હમણે કલાકમાં તો ઊતરવાનું છે અને આ શા હારુ બિસ્તરો અહીં છોડતો હશે ? મને જ્ઞાન નહોતું થયું ત્યારે હું કહેતો કે ‘ધોળા આવ્યા, હવે શા બિસ્તરા પાથરો છો ? બિસ્તરા પાથરીને શું કાઢવાનું છે ? એવું જગત છે! આ લોકોનું જોઈને બિસ્તરાની મને પણ કટેવ પડેલી. લોકો મોટામોટા બિસ્તરા લઈ જાય, તે મેં પણ મુંબઈથી એક બિસ્તરો વેચાતો લીધો ને મહીં ગોદડું ઘાલીને બહારગામ જતો. દરેક વખતે મજૂર મળે, પણ એક દહાડો કોઈ મજૂર ના મળ્યો ને મારાથી એ બિસ્તરો ના ઊંચકાયો. હવે મારી શી દશા થાય ? આમ ખેંચ ખેંચ કરીને મારો દમ નીકળી ગયો અને કોઈ ઝાલવાવાળોય ના મળ્યો. ત્યારથી સોગંદ લઈ લીધા કે ફરી ઊંચકાય એટલો જ સામાન ગાડીમાં જોડે રાખવો. તે આટલી બેગ એકલી રાખું, બીજી કશી ભાંજગડ નહીં. અને પાથરવા કરવા માટે ચાદર, તે ચાદર પાથરીને બેગને ઓશીકાની જેમ ગોઠવીને આમ સૂઈ જવાનું, પણ બેગ ખૂંચે તો બેગમાંથી ટુવાલ હોય તે કાઢી આમ માથા નીચે મૂકીને સૂઈ ગયા એટલે ભાંજગડ પતી ગઈ. આ ઊંચકીને તો મારો દમ નીકળી ગયેલો. ત્યારથી સમજી ગયેલો કે આ લોકોની જોડે હું ક્યાં આ હરીફાઈમાં પડ્યો? ને મજૂર ના મળે તો આપણી શી દશા થાય ? બિસ્તરો સ્ટેશને છોડી અવાય કંઈ ? અને ઘેર તો લાવવો જ પડે ને ? મહીં કંટાળો આવે કે ‘લાય, હવે મજૂર છે નહીં, એના કરતાં અહીં આગળ છોડી દો ને !’ પણ ના છોડે, સ્વભાવ એવો. કારણ કે મમતાનો સ્વભાવ એવો છે કે આ કશું છોડે નહીં. પણ અમને જેટલું જેટલું સમજણ પડી ને, કે (પા.૬) તરત છોડી દઉં. જ્યાં માર પડે ત્યાં તરત છોડી દઉં, પછી નક્કી કરી લઉં. પણ આ બધું મારે જ્ઞાન થતાં પહેલાની વાતો. જ્ઞાન થતાં પહેલા મારે આવી દ્રષ્ટિઓ ઊભી થયેલી. બંને છેડેથી મુક્ત એ મોક્ષ કાળ જ્ઞાન પહેલા અમને સ્ટેશને બધા મૂકવા આવે અને ગાડીમાં આમ પથારી પાથરી આપે. પછી ગાડી ઊપડવાની થાય એટલે બધા કહેશે, ‘આવજો, અંબાલાલકાકા આવજો.’ પછી ગાડી ઊપડી ગઈ ને બધા દેખાય નહીં, એટલે વડોદરેથી બંધાયેલા નથી અને મુંબઇથી મુક્ત થયા, તો હવે શેમાં રહેવાનું ? મોક્ષમાં રહેવાનું. તે જ્ઞાન થતાં પહેલાં આવી રીતે મોક્ષમાં રહેતો હતો. અહીંથી છૂટ્યા ને ત્યાંથી બંધાયા નથી, એ કયો કાળ કહેવાય? એ મુક્તિ જ કહેવાય ને ! તે આવો લાભ અમે ઉઠાવેલો. અને લોક શું કરે કે મુંબઈ છોડ્યું તોય મુંબઈ જોડે લઈ ગયો હોય અને વડોદરું આવતા પહેલા મહીં વડોદરું ઘાલી દીધું હોય, એટલે ગૂંચાયા જ કરે. અને મેં તો નક્કી જ કરેલું હોય કે મુંબઈથી મુક્ત થઇ ગયા, વડોદરા આવ્યું નથી, એટલે મહીં મુક્ત. વચલો કાળ એ મોક્ષકાળ ! સહેલો રસ્તો છેને ? અમને જ્ઞાન નહોતું થયેલું ત્યાર પહેલાં આવા મહીં જાત જાતના ફણગા ફૂટે ! આ એક સારો ફણગો કહેવાય ને ! નોંધ કરવા જેવી વાત યુવાનોની આ જ્ઞાન થતા પહેલાંની વાત કરું છું. તે આ તો પચ્ચીસેક વર્ષ પહેલાંની વાત છે. હું તો ગાડીમાં પેસવા ગયો, ત્યારે બધા છોકરાંઓ આમ સામસામી પગ પર પગ નાખીને બેઠાં હતા ને ઊભા રહેવાની જગ્યા નહીં. મેં એક નાની બેગ હાથમાં રાખેલી. બેગ એવી વાપરું કે ભલે બે મહિના, ચાર મહિના ચાલે તો વાંધો નહીં, પણ એક બેગ ઉપર આપણે બેસવું. એ ચામડાની બેગ તૂટી જાય તો વાંધો નહીં પણ એની ઉપર બેસવા જોઈએ. આમ ખુરશી જેવું. એટલે ટ્રેનમાં પેઠાને પછી બેગ મૂકવા ગયો. ત્યારે પેલા છોકરાં કહે, ‘કાકા, શું કરવા બેગ ઉપર બેસવા જાવ છો, બેગ ઉપર બેસતા નહીં ફાવે. તમે અહીં ઊપર બેઠક ઉપર બેસો.’ એમાં એક છોકરો ઊઠીને નીચે બેસી ગયો અને મને આટલી જગ્યા કરી આપી. મારે તો બેસવા માટે બહુ થઈ ગઈ. પછી બેઠો. ત્યાર પછી મેં છોકરાંઓને કહ્યું, ‘અલ્યા, તમને આ ભીડ નથી લાગતી ! તમને કેમ કરીને આ ભીડ ગમે છે ? તમે આ પગ ઉપર પગ નાખ્યાં છે, ખભેખભાં આમ અડાડીને બધા બેઠેલા છો, આ પાર વગરની ભીડમાં!’ ત્યારે પેલાં છોકરાંઓએ જવાબ આપ્યો, મને એ નોંધ કરવા જેવો જવાબ લાગ્યો. મને કહે કે ‘કાકા, તમે ભીડ શેને કહો છો?’ આ છોકરો ઊલટો મને પૂછે કે ભીડ તમે શેને કહો છો ? ત્યારે મેં કહ્યું કે ‘અલ્યા, આ ભીડ ન હોય ?’ ત્યારે કહે છે કે, ‘ના, આ ભીડ ના કહેવાય. તમે આને ભીડ કહો છો ?’ મેં કહ્યું કે ભઈ, મેં તો છૂટ જોયેલી એટલે મને આ ભીડ લાગે, તમે તો છૂટ જોયેલી નથી લાગતી. તો કહે, ના, અમે જન્મ્યા ત્યારથી જ આવું જોયેલું ને એટલે અમે છૂટ જાણતા જ નથી. અમે તો આવું જાણીએ કે આવું જ હોય, ભીડ હોય. મેં કહ્યું કે અમારા વખતમાં અમે મુંબઈ આવતા તે એક ડબ્બામાં બેઠા હોય તો જોડે કોઈ માણસ ના મળે તે બીજા ડબ્બામાંથી કો’કને ખોળવો પડે, ત્યારે એવી છૂટ હતી. ત્યારે છોકરાંઓ હસવા લાગ્યા કે એવું તો હોતું હશે! મેં કહ્યું, એવું જ હતું બધું. એમણે તો જોયેલું જ નહીં ને એવું બધું. એમણે તો જન્મ્યા ત્યારનું આનું આ જ જોયેલું. લટકીને આવવાનું ને લટકીને જવાનું અને ક્યુ, ક્યુ ને ક્યુ વગર તો જોયું જ નથીને ! બધામાં ક્યુ (લાઈન), ખાંડમાં, તેલમાં, ટિકિટ લેવા માટે, બધે ક્યુ ને ક્યુ જ. એટલે આ બધું જૂનું ફર્યા કરે. પાછલું બધું બદલાયા કરે ને નવું આવે. આ રાઉન્ડમાં છે બધું. આ યુગો એય રાઉન્ડ છે. પાછલું બધું ભૂલાડી દે અને પાછું આ નવું નવું ઉત્પન્ન થાય. નવી નવી અવસ્થાઓ ઉત્પન્ન થયા જ કરે જગતમાં. નવી પેઢી અને જૂની પેઢીને ઝઘડા ચાલ્યા જ કરે. (પા.૭) જૂના-નવાના ટાળો મતભેદ અમારા વખતમાં સહેજ હોટેલમાં ગયો હોય તો ઘરે માબાપ દમ કાઢી નાખે. કારણ કે માબાપે હોટેલ જોયેલી જ નહીં. એ અમુક જમાનામાં ઊછર્યા. એમના અમુક જાતના એ પર્યાય પડી ગયેલા. આ એમને ગમે નહીં અને છોકરાઓને આ ગમે. તે મતભેદ, આ સાંધા જ બધા પડ્યા કરે છે, અનંત અવતારથી જ. આ અવતારમાં જ આવું થયું એવું નથી, પહેલેથી જ આનું આ જ ચાલ્યું આવ્યું. નવાજૂનાનો સાંધો ચાલ્યા જ કરે. ઝઘડો થોડો વખત રહે, થોડો વખત સારું રહે. તે ઘરમાં વીસ માણસો હોય તે બધાય દાદા કહે એ પ્રમાણે ચાલ્યા કરે. એવું થોડો વખત રહે. પછી તો બધાના ધાણીચણા વેચી ખાય એવો જમાનો આવે. યુવાવર્ગને જરૂર, સાચા માર્ગદર્શકની પ્રશ્નકર્તા : આજનો યુવાનવર્ગ કયા રાહ પર જઈ રહ્યો છે ? એનું ભવિષ્ય આપશ્રીની દ્રષ્ટિએ શું છે? સાચો રાહ શું છે ? દાદાશ્રી : આજનો યુવાનવર્ગ અત્યારે કંઈ પણ દોરવણી નહીં હોવાથી, સફોકેશનમાં છે. પણ આવો યુવાવર્ગ કોઈ કાળે હતો નહીં એવો છે કે જે યુવાવર્ગ ચોખ્ખો છે, પ્યાઙ્ખર છે. એને માર્ગદર્શન આપનારની જરૂર છે. જો માર્ગદર્શન આપે તો આ હિન્દુસ્તાન ઓલરાઈટ થઈ જાય અને માર્ગદર્શન આપનારો મળી આવશે હવે થોડા વખતમાં, બધું મળી આવશે. અને આ યુવાવર્ગ એટલો બધો સારો કે પોતે કશું સંતાડતો જ નથી. બધું જ પ્યૉર કહી દે છે અમને. એક છોકરો હતો, તે મને કહે છે કે દાદાજી, મને બહુ દુ: ખ થાય છે અંદર. મેં કહ્યું, શેના માટે તને દુ: ખ થાય છે ? ત્યારે કહે છે, મને એક ખરાબ વિચાર આવે છે એટલે મને દુ: ખ થાય છે. કેમ, આવા કેમ વિચાર આવે છે ? ત્યારે મેં કહ્યું, પણ શું વિચાર આવે છે મને કહેને ! હું તને મટાડી દઉં. ત્યારે કહે, ‘મને એવાં વિચાર આવે છે કે દાદાજીને ગોળી મારી દઉં.’ મેં કહ્યું, હા, એ બરોબર છે. હવે તને દુ: ખ થયા જેવી વાત છે આ, નહીં ? પછી મેં કહ્યું, પણ શાથી આવું થયું એ મને કહે. ત્યારે કહે, તમે વિધિ કરાવતા હતા તે વખતે બીજા બહારના માણસ આવ્યા. તેને ઝટ બોલાયાં ને મને ત્યાં આગળ ૧૦ મિનિટ અટકાવ્યો. એટલે મને મનમાં થયું કે આ દાદાને ગોળીબાર કરો. મેં કહ્યું, ‘બરોબર છે, એ મારી ભૂલેય બરોબર છે. એટલે આ મારી ભૂલ થઈ ને માટે તને આ વિચાર આવ્યો. હવે નહીં આવે.’ બીજાને પેસવા દીધા, એને ના પેસવા દીધો. આવે જ ને માણસને? તીખો માણસ હોય તો આવી જાય કે ના આવી જાય ? બંડખોર હોય... એટલે સાચું બોલ્યો. એટલે મેં એનો ખભો થાબડ્યો કે ધન્ય છે કે મારી રૂબરૂમાં તું મને ગોળીબાર કરવાની વાત કહું છું, તું સાચું બોલ્યો ! ધન્ય છે આ યુવાવર્ગને ! આટલું જો સત્ય હશે તો યુવાવર્ગ એકદમ ઊંચા, હાઈ લેવલે પહોંચી જશે અને આ યુવાવર્ગ તો અમારાં નિમિત્તમાં આવશે, તે જેટલા આવ્યાને એ સપાટાબંધ ચઢી જશે! કારણ નિમિત્ત છે આ. અને યુવાવર્ગ બહુ જ સુંદર છે, તદ્ન સાચો. કંઈપણ સુખ પડતું નથી છતાંય સત્યતા છોડતો નથી. ત્યારે મને એક જણે કહ્યું, કે તમે એને ખભો થાબડો છો, પણ તમારા જેવાં આ સાંભળનારાય નહીં મળે. ગોળીબાર કરવાનું કહે છે છતાં તમે એને થાબડો છો ? બીજો તો કાઢી મેલે, ત્યારે મેં કહ્યું, ના, અમારે અહીં એવું ના હોય. અક્રમ વિજ્ઞાન છે આ તો ! તમે ગમે એટલો વિરોધ બતાવો તો અમને વાંધો જ ના હોય. વિરોધ એ અમારામાં કંઈ પણ ભૂલ હોય તેનું કારણ છે. અમારી જ ભૂલ કંઈ થાય. વિરોધ કેમ ઉત્પન્ન થાય ? કોઈ પણ જાતનો વિરોધ થાય એ મારી જ ભૂલ છે! એટલે યુવાવર્ગ તો બહુ સારા રાહ પર જઈ રહ્યો છે. એમને નિમિત્ત મળી આવશે. સંસ્કારીને કેમ કહેવાય કુસંસ્કારી ? એક માબાપ હતા, તે સારું કુટુંબ હતું. ખાનદાન શ્રીમંત ફેમીલી હતું. છતાં એના છોકરાંને માટે શું કહે (પા.૮) છે ? મને એના છોકરાની ફરિયાદ કરી, કે આ અમારો છોકરો આ દુકાન પર બેસાડીએ છીએ, તે સાંજે દસ રૂપિયા લાવતો નથી, કહે છે. તે એ છોકરાની દુકાન મેં જોયેલી, હું ત્યાં આગળ જતાંઆવતાં બેસું થોડીવાર, મને બોલાવે એટલે. કાપડની દુકાન કરે બિચારો, સીધો માણસ. હવે આ શું કહે છે, તું ગમે તે રસ્તે દસ રૂપિયા લાવ. જરા વધતુંઓછું કરીને પણ દસ રૂપિયાનું લાવ. ત્યારે પેલો છોકરો કહે છે, ના, મને એ નહીં ફાવે. એટલે આ છોકરાંને કહે છે કે આ છોકરો અમારો કુસંસ્કારી પાક્યો. હવે બોલો, આ માબાપના સંસ્કાર છોકરો લે તો સારું કે ન લે તો સારું ? ભણતરની સાથે જોઈશે ગણતર એકવાર એક જણે મને કહ્યું કે ‘શું છોકરાઓ હોશિયાર થયા છે, આ જમાનો કેવો આવ્યો છે !’ ત્યારે મેં કહ્યું, ‘પહેલાં ડફોળ છોકરાંઓ હતા એવું તમે કહો છો ? અને તેમાંના અમે હતા ! આજના છોકરા હોશિયાર અને અમે નાપાસ થયા એટલે ડફોળ ?’ પણ આજના છોકરાઓને ભાન જ નથી, એક જ ભણવાનું, ભણવાનું ને ભણવાનું જ, બીજું કશું ગણવાનું તો સમજ્યા જ નથી. એ ભણે જ છે. એ ગણેલા નથી અને અમારા વખતમાં તો ગણતર અને ભણતર બન્ને સાથે ચાલતું અને અત્યારે તો ભણતર, તેય એક જ લાઈન, પછી આવડી જ જાયને ! એમાં શું કરવાનું બીજું ? ભણતર એ બધું થિયેરીટકલ છે, એ પ્રેક્ટિકલ નથી. પ્રેક્ટિકલ થાય ત્યારે સાચું, ગણતર એ પ્રેક્ટિકલ છે! પ્રકૃતિ ઓળખીને લેવું કામ એક બાપ એના છોકરાને વગોવ વગોવ કરે. છોકરો બહુ ખરાબ, કેમ એમ ? ત્યારે બાપ કરકસરિયા હતા જરા, ઘરે પૈસા બહુ હતા પણ કરકસરિયા સ્વભાવના. છોકરો જરા નોબલ હતો. તે બાપની શી ઇચ્છા? કે આ છોકરો મારા જેવો થાય, તો મારા ઘરનું રાગે પડે. તે પછી બાપ મને પાછા કહેવા માંડ્યા, કે જુઓને આ છોકરો મારો બગડી ગયો છે. મેં કહ્યું, કેમ દુનિયામાં બીજા કોઈ નોબલ માણસો નહીં હોય ? તમારો છોકરો એકલો જ નોબલ છે. બીજા નોબલ ખરા કે દુનિયામાં ? ત્યારે કહે, ના, પણ મારા જેવો થાય તો એનું રાગે પડશે ને પછી, અત્યારથી દુ: ખ ના આવે ને ? મેં કહ્યું, પ્રકૃતિનેઓળખો. એક હજાર કોઈકના કાઢીય લાવનારો હોય પાછો. અમે કરીએ નહીં કશું, એ તો આવું જ હોય. હા, એને સમજણ પાડ પાડ કરીએ. મારા જેવા પાસે તેડી લાવો તો દવા કરીએ અમે. વશ થાય પ્રેમથી જ હું સુરત ગયો’તો. તે બે પોલીસ ઈન્સ્પેક્ટરો દર્શન કરવા આવ્યા. એ લોકોને કહ્યું કે અમારે દાદાના દર્શન કરવા આવવું છે. એટલે પછી મને કહે છે કે અમે આટલું બધું પોલીસખાતું, માણસની પાસેથી કબૂલ ન કરાવી શકીએ, તે તમે આવા ‘જ્ઞાની પુરુષ’ તરીકે કેમ કરીને કબૂલ કરાવો છો ? ગુનો શું હતો કે એક પચ્ચીસ વર્ષનો છોકરો હતો, એણે આઠ મહિનામાં એંસી લાખ રૂપિયાની ખોટ કરી. આ ખોટ એના ઘરની નહીં. ઘેર તો પૈસા હતાં જ નહીં. બધા વેપારીઓ રડી ઊઠ્યા. એ લોકોએ મારવાની તૈયારી કરી નાખી. બાળી નાખો, કહે છે. બધા વેપારીના મનમાં એમ થયું કે આ પચ્ચીસ વર્ષના છોકરાને મારી નાખો. એટલે એ સમજી ગયો. એટલે ત્યાંથી ભાગી ગયો. નડિયાદ ને એ બધે ફર ફર, રખડવા માંડ્યો. પછી એનો ભઈ છે તે તપાસ કરવા આવ્યો. એના ભઈ જાણતા’તા કે દાદા વણાકબોરી છે ત્યાં, આપણે ત્યાં તેડી લાવ્યા. તેડી લાવ્યા પછી મેં કહ્યું કે ભઈ આ કેમ, કેટલા વખતમાં ૮૦ લાખ રૂપિયા ભેગા કર્યા ? ત્યારે કહે, ૮ મહિનામાં. ત્યારે મેં કહ્યું, શું વાપરું છું ? શેમાં ખર્ચો છે તારો ? ત્યારે કહે, મારો ખર્ચો તો હજાર રૂપિયા જ છે, એવું કહ્યું. ભણ્યો છું કે ? ત્યારે કહે, ઈંગ્લીશ ભણ્યો નથી. અલ્યા, તે કેવી રીતે બનાવ્યા ? ત્યારે કહે, કે હું આમને ત્યાંથી એક લાખના (પા.૯) હીરા લાવું. બીજાને ત્યાં ૮૦માં વેચી દઉં. એ ૮૦ રોકડા આયા, તે પેલાને એમાંથી ૬૦ આપી આવું. આવી રીતે બિઝનેસ ચાલુ કર્યો. એટલે આમાં બીજું કઈ લફરું, દારૂબારૂ ? ત્યારે કહે, ના, કશું ચાલુ નથી કર્યું કંઈ. એટલે શા હેતુ માટે કર્યું તે ? તારા ઘરનાને માટે નથી કર્યું ? નથી લફરું, દારૂબારૂ હેતુ, તો શા માટે કર્યું ? ત્યારે કહે, હું અઢાર વર્ષનો હતો ત્યારે નક્કી કર્યું’તું કે આ શ્રીમંતનો કુંચો કાઢવો. તેં અલ્યા આવડું મોટું તે નક્કી કર્યું’તું. ત્યારે કહે કે હા. મેં શ્રીમંતોનો કુંચો કાઢવો એવું નક્કી કર્યું’તું. અલ્યા મૂઆ આવું ? તો કહે, હા. મેં કહ્યું, સારું. જે વિગતે વિગતવાર ક્ષણેક્ષણ બધી એકઝેક્ટ રીતે કહી દીધું. ‘આ બધો ગુનો મારો જ છે અને બધું મેં જ કર્યું છે આ.’ એટલે પછી એના ભઈ ને બધા સગાવહાલાં અહીં આવેલા. એ કહે છે, જો આ સાવ સુરત ના આવે તો પેલા લોકો અમારો કુંચો કાઢશે. એટલે પછી મેં શું શરત કરી ? કે પોલીસવાળાને મારી પાસે વાત નક્કી કરાવડાવો. પોલીસવાળાને મેં કહ્યું, જો તમે કોઈ પણ આને હાથ ના અડાડે. તો આ માણસને હું ત્યાં આવવા દઉં છું, નહિ તો નહિ આવે. એટલે એ લોકોએ કબૂલ કર્યું. પછી મેં મોકલ્યો. ત્યાં બધાની પાસે એણે એક્સેપ્ટ કરી દીધું, શું કર્યું ? અને કંઈ નામ ના લીધું. એટલે પોલીસવાળા કહે છે, તમે આટલું બધું એક્સેપ્ટ કેવી રીતે કરાવો છો ? મેં કહ્યું, મને તેર વર્ષની છોકરી હતી તે પિસ્તાલીસ વર્ષની થઈ ત્યાં સુધી એના લક્ષણ બધાં લખીને આપે છે અને છોકરાય લક્ષણ લખીને આપે છે. નહિ આપતા હોય? પૂરેપૂરા આપતા હશે કે મહીં કાચા રાખતા હશે ? જે બારીઓ ખોલે, એકબે ખોલતો હશે ? અને ના ખોલનારા તો એકેય ખોલે નહીં અને બારીઓ ખોલે તે એવું એવું લખીને આપે છે કે આય અજાયબી ! હવે એમાં અમને પોતાને ગમે નહિ, માથું ચઢે એવું લાગે. પણ છતાંય અમે એને ધોઈને પાછું આપીએ ને મહિના સુધી વાંચજે અને પછી તું એને બાળી મૂકજે, કહ્યું. કોઈ જગ્યાએ માણસ કહી શકે નહીં. એનું શું કારણ છે ? ધણી પાસે જો બોલે, તો ધણીને પછી લાગ આવે ત્યારે લાગમાં લે. જ્યાં જાય ત્યાં લોક લાગમાં લે. ‘જ્ઞાની પુરુષ’ કરુણાવાળા હોય, લાગમાં ના લે. એટલે ત્યાં આગળ બધું માણસ ખુલ્લું કરી આપે. એટલે પેલા પોલીસવાળાના મનમાં એમ જ થાય કે આવું બધું શી રીતે કબૂલ કરાવે છે ! મેં કહ્યું, મારવાકરવાનું ના હોય, અમારા પ્રેમથી બધું કબૂલ કરે. બધું જ કબૂલ કરી દે. પ્રેમથી બધું થાય. અને પ્રેમથી સુધરે. (આપણે જો) આ બધું સુધારવાનું હોયને તો પ્રેમથી સુધરે. આ બધાને હું સુધારું છુંને, એ પ્રેમથી સુધારું છું. આ અમે પ્રેમથી જ કહીએ એટલે વસ્તુ બગડે નહીં. અને સહેજ દ્વેષથી કહીએ કે એ વસ્તુ બગડી જાય. દૂધમાં દહીં પડ્યું ના હોય અને અમથી જરા હવા લાગી ગઈ તોય એ દૂધનું દહીં થઈ જાય. એટલે પ્રેમથી બધું બોલાય. જે પ્રેમવાળા માણસ છેને, તે બધું બોલી શકે. એટલે અમે શું કહેવા માંગીએ છીએ ? પ્રેમ સ્વરૂપ થાવ તો આ જગત તમારું જ છે. જ્યાં વેર હોય ત્યાં વેરમાંથી ધીમે ધીમે પ્રેમ સ્વરૂપ કરી નાખો. વેરથી આ જગત આવું બધું ‘રફ’ દેખાય છે. જુઓને, પ્રેમ સ્વરૂપ, કોઈને જરાય ખોટું લાગતું નથી ને કેવો આનંદ બધા કરે છે ! બિરદાવ્યા યુવાનોને ‘હેલ્ધિ માઈન્ડના’ કહી એકવાર મને એક પ્રોફેસરે પૂછયું કે આ તમારા આપ્તપુત્રો બધા નાની ઉંમરના કેમ છે, મોટી ઉંમરના કેમ નથી ? મેં કહ્યું, મોટી ઉંમરના મનના ચોર હતા, મૂઆ. આજની આ જનરેશન હેલ્ધિ માઈન્ડની છે. હેલ્ધિ માઈન્ડ શાથી ? મમતા જ નહીં. જેને ભાન હોય તેને તો મમતા હોય ! પહેલાં તો, મારી ઉંમરમાં (તે સમયમાં) તો છોકરા હોય ને, તે નાનું પાંચ વર્ષનું હોય ને, તોય તમારા આઠ આના પડી ગયા હોય ને, તો એની ઉપર પગ મૂકીને વાત કરે. અમારા વખતમાં (પા.૧૦) બિલકુલ ચોર જ હતા લોકો. હવે અત્યારના છોકરા બિલકુલ જ બરકત જ નહીં. એટલે આ ગુણેય નથી એમનામાં. મમતા જ જતી રહી ને ! એટલે મેં કહ્યું, હેલ્ધિ માઈન્ડવાળા છે. આ છોકરાઓને વાળનાર જોઈએ. અમારા હાથે વળે એટલે ઓલરાઈટ થઈ જાય, ભગવાન થઈ જાય. આ જનરેશન કરશે વર્લ્ડનું કલ્યાણ મારી ટચમાં આવેલો એકેય છોકરો જૂઠું બોલતો જ નથી. ભય લાગે છે છતાંય જૂઠું બોલતો નથી. હવે એ છોકરોને જોઈને મને એવું થઈ જાય છે કે મારા વખતમાં કોઈ છોકરો સાચું બોલતો નહોતો. વઢવાની જગ્યા હોય ત્યાં સાચું બોલતો નહોતો. સહેજ જ અપમાન થઈ જાય એવી જગ્યા હોય તોય સાચું બોલ્યા નથી અને આ તો ગમે તે થાય મારી નાખવાનો હોય તોય જૂઠું બોલ્યો નથી. ત્યારે જુઓને. આ પ્રજા કેવી સરસ છે ! હિંદુસ્તાનનું ભાવિ કેવું ઉજ્જવળ છે!! તે આ કુદરતનો ઉપકાર છે કે આ જનરેશન બિલકુલ હેલ્ધિ માઈન્ડની પાકી છે. હેલ્ધિ માઈન્ડની જનરેશન કોઈ વખત પાકે નહીં અને પાકે ત્યારે વલ્ર્ડનું કલ્યાણ કરે. આને માર્ગદર્શન આપનાર જોઈએ. આલોચનાથી થાય ગુના માફ ફક્ત છોકરાઓ નહીં પણ છોકરીઓ પણ માફી માંગી લે બધી. યાદ કરી કરીને બધું હં. આ પંદર વરસે આવો ગુનો કર્યો હતો, વીસ વરસે આવો કર્યો હતો, આવા ગુના કર્યા હતા, તે બધા ગુના અહીંયાં યાદ કરીને માફી માગી લે. અને મને કહે કે આજે માફી માગું છું માટે માફી આપી દેજો. પછી રહે શું તે તમે જાણો છો ? આપણે આ ઘોડાગાંઠ વાળી હોયને તે આવતે જન્મે છોડીઓને તે બહુ મુશ્કેલી પડી જાય. પણ એને બાળી મેલીએ અત્યારે તો, બળેલી ઘોડાગાંઠ રહે, તે આમ કરીએ ને ઊડી જાય. પછી આવતે ભવ એટલું જ કરવાનું રહ્યું, બસ. તે સહેલો માર્ગ છે કે ખોટો છે ? બધું ધોઈ આપીએ. એક બાઈ તો મને એવું કહેવા માંડી, ‘દાદાજી, મેં તો આ પેલી બેન જોડે વેર બાંધ્યું છે!’ મેં કહ્યું, ‘શેના હારુ વેર બાંધ્યું ? શું વેર બાંધ્યું છે તે ?’ તો એ કહે, ‘આવતે ભવે સાપણ થઈને એને કરડીશ ! એવું વેર બાંધ્યું છે !’ મેં કહ્યું, ‘વેર ના બાંધશો.’ ત્યારે એણે કહ્યું કે ‘મેં તો આવું વેર બાંધ્યું છે તો મારે શું કરવું ?’ એટલે પછી મેં એને ધોઈ આપ્યું. મેં કહ્યું, ‘બેન, આવડું મોટું જોખમ શું કરવા માંડ્યું?’ ત્યારે એ કહે, ‘અમે પૈણ્યા ત્યારે એને મારા ધણી જોડે મિત્રચારી હતી. એ મારા ધણીને છોડતી જ નથી. એટલે મેં તે દહાડે જ નક્કી કર્યું કે હવે આવતે ભવ હું તને છોડું નહીં. આવતે ભવે સાપણ થઈને પણ તને કરડીશ.’ હવે મેં કહ્યું, ‘હવે તને વેર છે ?’ ત્યારે એ કહે, ‘ના, દાદાજી, હવે મારે વેરમાંથી છૂટવું છે.’ ત્યારે મેં કહ્યું કે ‘હું તને છોડી આપું.’ પેલાને બોલવવાનું નહીં પાછું, એની ગેરહાજરીમાં એ બેનને સમજાવવાનું. ધણીને બોલાવીએ તો ઊલટી ઉપાધિઓ થાય પછી. ભોગવે છે કોણ ? એ એની જ ભૂલ એકવાર એક ડોસાજી મને કહે, ‘મને બહુ દુ: ખ ભોગવવાનું આવ્યું છે.’ મેં પૂછયું, ‘કેમ કાકા, શું થયું છે ?’ એ ભાઇ કહે, ‘મારો છોકરો બહુ ખરાબ થઇ ગયો છે.’ મેં પૂછયું, ‘એક જ છોકરો ખરાબ થઇ ગયો કે બધા જ ?’ ડોસો કહે, ‘એક જ એવો પાક્યો છે. બીજા ત્રણ તો સારા છે.’ મેં પૂછયું, ‘એ શું કરે છે ?’ ડોસો કહે, ‘દારૂ પીએ છે, રમી રમે છે, રેસમાં જાય છે, હોટલોમાં પડી રહે છે. એનાથી તો મને આખી રાત ઊંઘ આવતી નથી. એની ચિંતા રાતદા’ડો થયા જ કરે છે.’ મેં કહ્યું, ‘તો તો ભાઇ, તારી જ ભૂલ છે. એ તારી જ ભૂલથી આવું કરે છે. આ બીજા ત્રણ દીકરા સારા છે એનો આનંદ તું કેમ નથી લેતો ?’ આ ડોસાના વંઠેલા છોકરાને મેં એક દિવસ (પા.૧૧) પૂછયું, ‘અલ્યા, તારા બાપાને તો બહુ દુ: ખ થાય છે ને તને કશું દુ: ખ નથી થતું ?’ છોકરો કહે, ‘મને શેનું દુ: ખ ? બાપ કમાઇને બેઠા છે. એમાં મારે શેની ચિંતા, હું તો મજા કરું છું.’ એટલે આ બાપદીકરામાં ભોગવે છે કોણ ? બાપ. માટે બાપની જ ભૂલ. ‘ભોગવે એની ભૂલ.’ આ છોકરો નાલાયક થઇ ગયો, દારૂ પીતો હોય, ગમે ત્યાં રઝળતો હોય, જુગાર રમતો હોય, ગમે તે કરતો હોય એમાં એના ભાઇઓ નિરાંતે ઊંઘી ગયા છે ને ? એના મધર પણ નિરાંતે ઊંઘી ગયાં છે ને ? અને અક્કરમી આ ડોસો (છોકરાનો બાપ) એકલો જ જાગે છે. માટે એની ભૂલ. એની શી ભૂલ ? ત્યારે કહે આ ડોસાએ આ છોકરાને પૂર્વ ભવમાં ફટવેલો, તે ગયા અવતારના આવા ઋણાનુબંધ પડ્યા છે. તેથી ડોસાને આવો ભોગવટો આવે છે. અને છોકરો એની ભૂલ ભોગવશે ત્યારે એની ભૂલ પકડાશે. આ તો બેમાંથી શેકાય છે કોણ ? જે શેકાય છે એની જ ભૂલ. આ આટલો એક જ કાયદો સમજી ગયા તો આખો મોક્ષમાર્ગ ખુલ્લો થઇ ગયો ! હિસાબી છે આ જગત મેં એક ફેરો જ્ઞાન થયા પછી ઇનામ કાઢ્યું હતું કે મને એક ધોલ મારે તેને પાંચસો રૂપિયા મારે ઇનામ આપવા. ત્યાર પછી મેં લોકોને સમજણ પાડી કે, ‘અલ્યા ! ભીડવાળો હોય તો કોઈની પાસે સો રૂપિયા ઉછીના ખોળવા જવા, એના કરતા અહીં આવીને લઈ જજેને પાંચસો રૂપિયા !’ તો કહે ‘આ શું બોલ્યા ? તમને ધોલ મારીને અમારી શી દશા થાય?’ એટલે કોઈ મફત ધોલ આપનાર નથી અને મફત આપનાર હોય તો આપણે ઉપકાર માનવો કે ઓહોહો ! આજે જે પૈસા આપ્યે નથી મળતું, તે આ મળ્યું. તેનો ગુણ કેટલો બધો હશે, નહીં ? ‘જ્ઞાની’ના સાંનિધ્યે, કેવી નિરાકુળતા ! એક વખત અમે ‘વિહાર લેક’ ફરવા ગયા હતા. ત્યાં શયદા સાહેબ, એમના એક મુસલમાન મિત્રને કે જે કોર્પોરેટર હતા તેમને દર્શન કરાવવા લઇ આવ્યા. તેમનાં બીબી, છોકરાં બધાં આવ્યાં. એ માણસ બહુ વિચારશીલ ને ઓલિયા જેવા હતા. તે નીચે માટીમાં બેસતા હતા. તે કો’કે કહ્યું, ‘નીચે કીડીઓ કૈડશે. માટે ‘દાદા’ની બાજુમાં બેસો.’ ત્યારે તેમણે કહ્યું, ‘દાદા’ની હાજરીમાં કીડીઓ કેમ કરીને કૈડે ?’ પછી તેમને અમે અમારી પાસે બેસાડ્યા. દસ મિનિટ પછી બોલ્યા, ‘હું આટલી બધી જગ્યાએ ધર્મોમાં બધે ફર્યો, પણ મને આ દસ મિનિટમાં જે શાંતિ થઇ ગઇ તેવી ક્યાંય થઇ નથી, તો આનું કારણ શું ? ત્યારે મેં તેમને કહ્યું, ‘આ બીજું કોઇ કારણ નથી. તમે અત્યારે અલ્લાની ખૂબ નજીક બેઠા છો. અલ્લાની નજીક જઇએ તો સુખશાંતિ ના હોય ? અલ્લા ‘મારી’ એકદમ નજીક અડીને જ બેઠા છે ને તમે મારી જોડે બેઠા છો. એટલે બિલકુલ નજીકમાં આવ્યાને ? પછી શાંતિ કેવી વર્તે !’ ન બોલાય કદી ‘મારે શું ?’ પ્રશ્નકર્તા : દાદા, આ જમાનામાં બધાં એમ જ સમજે છે કે ‘મારે શું ?’ દાદાશ્રી : ‘મારે શું ?’ એવું માણસ બોલે ને, તો બહુ જોખમ કહેવાય. ‘મારે શું ?’ એ બોલાય જ કેમ કરીને ? એ તો થબોકા પાડવા જેવો શબ્દ કહેવાય. ‘મારે શું ?’ કહે છે, તો તું કેવો છે તે ? ‘મારે શું’ એ શબ્દ જ ના હોવો જોઈએ. તે અમેય બોલ્યા નથી કે ‘મારે શું ?’ કારણ કે અમે ‘જ્ઞાની પુરુષ’ તોય ‘મારે શું ?’ નહીં બોલવાનું. હમણાં કોઈ ગમે તેવી પરિસ્થિતિમાં આવ્યો હોય તોયે ‘મારે શું ?’ નહીં બોલવાનું. અમારા કુટુંબમાં એક બઈ ‘ઓફ’ થઈ ગઈ, તે એનો છોકરો કહેવા આવ્યો. મને કહે છે, ‘દાદાજી, તમને જણાવવા માટે જ આવ્યો છું.’ અને મેં કહ્યું, ‘ભઈ, જો અત્યારે કહે છે, પણ મોડું થઈ ગયું છે ને!’ ત્યારે એ કહે, ‘ના, તમારે આવવાની જરૂર નથી.’ (પા.૧૨) છતાંય હું ત્યાં પાંચ મિનિટ જઈ આવ્યો, ને આવીને નહાયો હઉ પાછો. એટલે વ્યવહારમાં ‘મારે શું’ એવું ના ચાલે. વ્યવહાર વ્યવહારની રીતે હોવો જોઈએ ને! કંઈ આત્મા જતો રહેતો નથી ને ! ભાવના હંમેશ, કેમ કરીને લોકો સુખી થાય ! એવું બનેલું કે ૧૯૪૩-૪૪માં અમે ગવર્મેન્ટનો કોન્ટ્રેક્ટ લીધેલો, તેમાં એક કડિયા કામનો ઉપરી હતો લેબર કોન્ટ્રેક્ટવાળો. તેણે પેટા કોન્ટ્રેક્ટ લીધેલો. એનું નામ અહમદમિંયા. તે અહમદમિંયા કેટલાય વખતથી કહે કે સાહેબ, મેરે ઘર આપ આવો, મેરી ઝૂંપડી મેં આવો. ઝૂંપડી બોલે બિચારો. બહુ સારા, ડાહ્યા હોય બોલવામાં, વર્તનમાં હોય જુદી વાત ને ન પણ હોય. પણ બોલવામાં જ્યાં સ્વાર્થ ના હોય ત્યાં સારું લાગે. તે અહમદમિંયા એક દહાડો કહે છે, શેઠ આજ અમારે ઘેર આપના પગલાં પાડો. મારે ત્યાં પધારો તો અમારા બીબીબચ્ચાં બધાંને આનંદ થાય. ત્યારે તો જ્ઞાનબાન નહીં પણ પેલા વિચારો બહુ સુંદર, લાગણી બહુ સરસ બધાને માટે. આપણે ઘેર કમાતો હોય તો એને સારું કેમ કરીને કમાય એવી પણ ભાવના. અને એ દુ: ખમાંથી મુક્ત થઈ સુખી થઈ જાય એવી ભાવના! આ તો જોયેલું મેં, એ કમ્યુનિટીમાં શું શું એના ગુણ કેવા હોય છે તે ! મેં કહ્યું, કેમ ના આવું? તારે ત્યાં પહેલો આવું. ત્યારે કહે, મારે ત્યાં તો એક જ રૂમ છે, તમને ક્યાં બેસાડું ? ત્યારે મેં કહ્યું, હું ગમે ત્યાં બેસી રહીશ. મારે તો એક ખુરશી જ જોઈએ. નહીં તો ખુરશી ના હોય તોય મારે ચાલે. તારે ત્યાં અવશ્ય આવું. તારી ઇચ્છા છે તો હું આવીશ. એટલે હું તો ગયો. અમારે ‘કોન્ટ્રાક્ટર’નો ધંધો એટલે અમારે મુસલમાનને ઘેર પણ જવાનું થાય, અમે તેની ચા પીએય ખરા ! અમારે કોઈની જોડે જુદાઈ ના હોય. હવે તે દહાડે જમાનો સારો બહુ, તે દહાડે તો પાંચ રૂમ જોઈતા હોયને તોય છે તે વીસ રૂપિયામાં મકાન મળે. તોય એણે બિચારાએ બે રૂમ રાખેલી. ત્યારે મેં કહ્યું, આ ત્રણ છોકરા ને આ તમે બે જણ, આ બે રૂમમાં શી રીતે ફાવે છે તમને ? ત્યારે કહે, સાહેબ, શું કરું ? પૂરું થવું જોઈએને ! એને મેડા ઉપર ત્રીજે માળ બે રૂમ હતા. આ કોન્ટ્રાક્ટ તો મોટામોટા લઉં છું, તો કેમ આ બે જ રૂમ ? ત્યારે કહે, ખર્ચા બહુ છે. ઘેર દેવું છે તે વાળવાનું. મધરફાધર છે તેને ખર્ચા મોકલવાના છે, બિમાર રહે છે. મેં કહ્યું, અલ્યા, આ ... એક જ રૂમ મોટી છે અને આ બીજી તો આ સંડાસ જેટલી જ નાની છે. ત્યારે કહે, સાહેબ, ક્યા કરે? હમારે ગરીબ કે લિયે ઇતના બહોત હૈ. મેં કહ્યું, તારા વાઈફ ક્યાં સૂઈ જાય છે ? ત્યારે કહે, યે હી જ રૂમ મેં. યે બેડરૂમ કહો, યે ડાઈનિંગ રૂમ કહો, યે સબ યે હી. મેં કહ્યું, ‘અહમદમિંયા, અૌરત કે સાથ કુછ ઝઘડાબગડા હોતા નહીં હૈ કે ?’ ‘યે ક્યા બોલા?’ મેં કહ્યું ‘શું ?’ ત્યારે એ કહે, ‘કભી નહીં હોતા હૈ. ઐસા મૂર્ખ આદમી નહીં હમ.’ ‘અલ્યા મતભેદ?’ ત્યારે કહે, નહીં, મતભેદ અૌરત કે સાથ નહીં હૈ.’ શું કહે છે, બીબી જોડે મારે વઢવાડ ના હોય. મેં કહ્યું, ‘કોઈ દહાડો બીબી ગુસ્સે થઈ જાય ત્યારે?’ તો કહે, ‘પ્યારી, આ બહાર પેલો સાહેબ હેરાન કરે છે ને તું પાછું હેરાન કરીશને તો મારું શું થશે ?’ એટલે ચૂપ થઈ જાય ! મેં કહ્યું, ‘મતભેદ પડતો નથી, એટલે ભાંજગડ નહીંને ?’ ત્યારે કહે, મતભેદ પડે તો તો એ ક્યાં સૂઈ જાય અને હું ક્યાં સૂઈ જાઉં ? અહીં બેત્રણ માળ હોય, તો હું જાણું કે ત્રીજે માળ જતો રહું ! પણ આ તો એની એ જ રૂમમાં સૂઈ જવાનું. એ આમની ફરીને સૂઈ જાય ને હું આમનો ફરીને સૂઈ જાઉં, પછી શું મજા આવે ? આખી રાત ઊંઘ ના આવે, પણ અત્યારે તો હું ક્યાં જાઉં શેઠ ! એટલે આ બીબીને તો કોઈ દહાડો હું દુ: ખ આપું નહીં. બીબી મને મારે તોય દુ: ખ ન આપું, કહે છે. એટલે હું બહાર બધાની જોડે વઢી આવું, પણ બીબી જોડે (પા.૧૩) ‘ક્લિયર’ રાખવાનું(શાંત રહેવાનું) ! વાઈફને કશું ના કરાય. ચળ આવતી હોય તો બહાર વઢીને આવે પણ અહીં ઘરમાં નહીં. થાય મતભેદ નિવારણ, ‘કાઉન્ટર પુલી’થી આપણે પહેલાં આપણો મત ના મૂકવો. સામાને પૂછવું કે આ બાબતમાં તમારે શું કહેવું છે ? સામો એનું પકડી રાખે તો અમે અમારું છોડી દઈએ. આપણે તો એટલું જ જોવાનું કે કયે રસ્તે સામાને દુ: ખ ના થાય. આપણો અભિપ્રાય સામા ઉપર બેસાડવો નહીં. સામાનો અભિપ્રાય આપણે લેવો. અમે તો બધાનો અભિપ્રાય લઈને ‘જ્ઞાની’ થયા છીએ. હું મારો અભિપ્રાય કોઈ પર બેસાડવા જાઉં તો હું જ કાચો પડી જાઉં. આપણા અભિપ્રાયથી કોઈને દુ: ખ ના હોવું જોઈએ. તારાં ‘રિવોલ્યુશનો’ અઢારસોના હોય ને સામાનાં છસો હોય ને તું તારો અભિપ્રાય એના પર બેસાડે તો સામાનું એન્જિન તૂટી જાય. એના બધા ગીયર બદલવા પડે. પ્રશ્નકર્તા : ‘રિવોલ્યુશન’ એટલે શું ? દાદાશ્રી : આ વિચારની જે સ્પીડ છે તે દરેકને જુદી જુદી હોય. કશું બન્યું હોય તો તે એક મિનિટમાં તો કેટલુંય દેખાડી દે, એના બધા પર્યાયો ‘એટએટાઈમ’ દેખાડી દે. આ મોટા મોટા પ્રેસિડન્ટોને મિનિટના બારસો ‘રિવોલ્યુશન’ ફરતાં હોય, તો અમારા પાંચ હજાર હોય, ભગવાન મહાવીરને લાખ ‘રિવોલ્યુશન’ ફરતા! આ મતભેદ પડવાનું કારણ શું ? તમારી ‘વાઇફ’ને સો ‘રિવોલ્યુશન’ હોય ને તમારાં પાંચસો ‘રિવોલ્યુશન’ હોય અને તમને વચ્ચે ‘કાઉન્ટરપુલી’ નાખતાં આવડે નહીં એટલે તણખા ઝરે, ઝઘડા થાય. અરે ! કેટલીક વાર તો ‘એન્જિન’ હઉ તૂટી જાય. ‘રિવોલ્યુશન’ સમજ્યા તમે ? આ મજૂરને તમે વાત કરો તો તમારી વાત એને પહોંચે નહીં. એનાં ‘રિવોલ્યુશન’ પચાસ હોય ને તમારાં પાંચસો હોય, કોઈને હજાર હોય, કોઈને બારસો હોય, જેવું જેનું ‘ડેવલપમેન્ટ’ હોય તે પ્રમાણે ‘રિવોલ્યુશન’ હોય. વચ્ચે ‘કાઉન્ટરપુલી’ નાખો તો જ એને તમારી વાત પહોંચે. ‘કાઉન્ટરપુલી’ એટલે તમારે વચ્ચે પટ્ટો નાખી તમારાં ‘રિવોલ્યુશન’ ઘટાડી નાખવાં પડે. હું દરેક માણસની જોડે ‘કાઉન્ટરપુલી’ નાખી દઉં. એકલો અહંકાર કાઢી નાખવાથી જ વળે તેમ નથી. કાઉન્ટરપુલી પણ દરેકની જોડે નાખવી પડે. તેથી તો અમારે કોઈની જોડે મતભેદ જ ના થાય ને ! અમે જાણીએ કે આ ભાઈના આટલા જ ‘રિવોલ્યુશન’ છે. એટલે તે પ્રમાણે હું ‘કાઉન્ટરપુલી’ ગોઠવી દઉં. અમે ‘કાઉન્ટર પુલી’ઓના સેટ રાખીએ છીએ. એટલા બધા સેટ રાખીએ છીએ કે કોઈ માણસ અહીં આવ્યો કે તેવી જ અમારે ‘કાઉન્ટર પુલી’ ગોઠવી દેવાની. પ્રશ્નકર્તા : કોઈ પણ વ્યક્તિ સામાના ‘લેવલ’ ઉપર આવે તો જ વાત થાય? દાદાશ્રી : હા, એના ‘રિવોલ્યુશન’ પર આવે તો જ વાત થાય. આ તમારી જોડે વાતચીત કરતાં અમારા ‘રિવોલ્યુશન’ ક્યાંના ક્યાંય જઈ આવે! આખા વર્લ્ડમાં ફરી આવે ! ‘કાઉન્ટરપુલી’ તમને નાખતાં ના આવડે તેમાં ઓછા ‘રિવોલ્યુશન’વાળા એન્જિનનો શો દોષ ? એ તો તમારો દોષ કે ‘કાઉન્ટરપુલી’ નાખતાં ના આવડી. કિંમત ચારિત્રબળની પ્રશ્નકર્તા : દાદા, તમને આ રમકડાં જેવા નાનાં નાગોડિયાં છોકરાં જોડે ફાવે છે કેમનું ? દાદાશ્રી : અમને તો નાના બાળક જોડે પણ બહુ ફાવે. કારણ કે અમે તેમની જોડે ચાલીસ ‘રિવોલ્યુશન’ ગોઠવી દઈએ એટલે એને મારી વાત પહોંચે, નહીં તો એ મશીન તૂટી જાય. એટલે આવું બાળક આવે ને મને જે’ જે’ કરે, (પા.૧૪) તો મારે એની જોડે વાતચીત કરવી પડે. અમારાથી બાળક ક્યારેય પણ ભય ના પામે. પ્રશ્નકર્તા : આ છોકરાઓ આપની પાસે ચરણમાં પડતા આપના ચરણ છોડવાની ઇચ્છા પણ કરતા નથી. દાદાશ્રી : એ અહીં સાચું છે એટલે, નાનું છોકરું પાંચ વર્ષનું હોય તેય ખસે નહીં. સાચું છે એટલે! પોતાને તરત સુખ ઉત્પન્ન થાય છે. માબાપને શી રીતે પગે લાગે ? માબાપને તો એના લગ્ન કરે તે દહાડે જરા આમ આમ કર્યા કરે, પૈણાવ્યો તે બદલ ! બાકી કશું ના લાગે. એના માટે ચારિત્રબળ જોઈએ. ચારિત્રબળ હોય તો સામો માણસ પગે લાગે, નહિ તો પગે લાગે નહીં. આ તે કેવો ત્યાગ ! એક શેઠ હતા. તે મને કહે કે, ‘તમે રોજ ફરવા નીકળો છો ત્યારે અડધો કલાક, કલાક આવવું, આપણે સાથે બેસીશું.’ શેઠ સારા માણસ હતા, તે અમે પા કલાક, અડધો કલાક, તેમની સાથે બેસતા. એક દહાડો શેઠે આવડી મોટી (બાર ઈંચની) બીડી જાતે બનાવી. રોજની તો બીડી આવડી નાની હોય, પણ એક દહાડો આવડો મોટો બીડો બનાવી પીવા લાગ્યા ! ત્યારે મેં શેઠને કહ્યું, ‘કેમ આવડો મોટો બીડો પીઓ છો ?’ ત્યારે શેઠ કહે, ‘મહારાજે મને એમ કહ્યું છે કે ચાર જ બીડી રોજની પીવી.’ મેં કહ્યું કે, ‘મહારાજ મારાથી નહીં રહેવાય.’ ત્યારે મહારાજે મને કહ્યું કે, ‘ના, તમારે અમારી આજ્ઞા પાળવી જ પડશે.’ ‘હં... તેથી આ તમે આજ્ઞા પાળો છો ? (!)’ તે જોઇને મને આશ્ચર્ય થયું કે ધન્ય છે આ કાળને(!) થોડી વાર થઇ એટલે બીડી પીતા હતા તે અડધી થઇ ગઇ. તે શેઠે પછી શું કર્યું ? કે બે પાંદડાં લઇને નીચેથી ચઢાવવા માંડ્યા ! મેં કહ્યું, ‘શેઠ, આ શું કરો છો ?’ ત્યારે શેઠ કહે, ‘ચારે પૂરું ના થાય એટલે.’ ધન્યભાગ છે આ ! આવું તો ભગવાન મહાવીર પણ નહોતા જાણતા ! ભગવાન મહાવીરને જે જ્ઞાન કેવળજ્ઞાનમાં ના આવ્યું તે જ્ઞાન તમને છે ! ધન્ય છે, ધન્ય છે ! આવું મન હશે એ તો મેં આજે જ જાણ્યું. ધન્યભાગ છે તમારી વૈશ્યબુદ્ધિને ! નહીં તો ચાર બીડી જ પીશ એવું બોલ્યા એટલે બસ બોલ્યા, નહીં તો નહીં બોલવાનું. મહારાજને ચોખ્ખું કહી દેવાનું કે મારાથી તમારી આજ્ઞા નહીં પળાય અને બોલ્યા એટલે ક્ષત્રિય. પછી જોને આવડા મોટા ટેટા કરેલા ! હવે આશ્ચર્ય ના થાય મને ? આવું લોક છે ! જ્ઞાનીની કડક વાણી, ઉતારે કેફ એક મહાપંડિત અમારી પરીક્ષા કરવા પૂછવા આવેલા. સ્થિતપ્રજ્ઞ દશા એટલે શું ?’ તેમણે પૂછયું. મેં તેને સમજ પાડી, ‘તું પોતે સ્થિતઅજ્ઞ દશામાં છે! હવે તારી જાતે માપી લેજે કે તું આ કિનારે છે તો સામો કિનારો સ્થિતપ્રજ્ઞ દશાનો કેવો હોય !’ તેમને મેં આગળ કહ્યું કે, ‘તમને મીઠું લાગે તેવું કહું કે કડવું લાગે તેવું કહું ? તમે સ્થિતઅજ્ઞ દશામાં જ છો, પંડિતાઇના કેફમાં ફરો છો એના કરતાં તો આ દારૂનો કેફ સારો કે પાણી રેડતાં ઊતરી જાય. તમે તો કાયમનો કેફ કરી નાખ્યો છે, તે ઊંઘમાંય ઊતરતો નથી. અમારા પાંચ જ મિનિટના દર્શનથી તમારું ભવોભવનું કલ્યાણ થાય તેમ છે, અહીં બધા જ ભગવાનના દર્શન થાય તેમ છે, તમારે જેના દર્શન કરવા હોય તે કરજો.’ સહજ થશે ત્યારે થશે કામ અમને એક મહારાજ મળ્યા હતા. તેમને મેં કહ્યું, ‘મહારાજ, એક વાત કરું ? તમને ગમશે ? તમને ના ગમે એવી વાત કરું ? તમે આ ત્યાગી થયા છો તો ના ગમતી વાત સાંભળવાની શક્તિ ઉત્પન્ન થઇ છે તમને ?’ ત્યારે મહારાજે કહ્યું, ‘કહોને વાત! વાતમાં શો વાંધો છે?’’ એટલે પછી મેં મહારાજને કહ્યું, ‘મહારાજ, આ મુહપત્તી શા માટે રાખી છે ? કષાય ગયા પછીની ક્રિયા છે આ અને એ તો સહજ (પા.૧૫) ક્રિયા છે. અને કષાય ગયા પછી તમે મૂર્તિ છોડી શકો. તમે મૂર્તિને જડ કહો છો, તે મૂર્તિને જડ કહેવાય નહીં. આ તમે બધાય જડ જ છો ને? ચેતનને જાણ્યું નથી, ચેતનને ઓળખતા નથી, પછી રહ્યું શું ? આ તમે ચેતન ક્યાં જોયું ? તે મને તમે કહો. અમૂર્તને ઓળખ્યા નથી ત્યાં સુધી તમેય મૂર્તિ જ છો ને ! આ નવકાર મંત્ર મૂર્તિ છે, આ તમે બોલો છો એ મૂર્તિ છે ને તમેય મૂર્તિ છો !’’ મૂર્તિ એ તો પરોક્ષ પ્રમાણ છે, પરોક્ષ ભજના છે. જ્યાં સુધી મૂર્તમાં વસ્યા છે ત્યાં સુધી મૂર્તિને ભજો. અમૂર્ત પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી મૂર્તિને જડ કહેવાય નહીં. જગતમાં મૂર્ત બધું દેખાય, અમૂર્ત કશું દેખાય નહીં. મહારાજને કહ્યું કે, ‘તમને ક્યાં આગળ ચેતન દેખાય છે કે આને જડ કહો છો ? તમને ખોટું લાગતું હોય તો મહારાજ મારી વાત બંધ કરી દઉં.’ ત્યારે મહારાજ કહે કે ‘ના, ખોટું નથી લાગતું. પણ આ અમારો સિદ્ધાંત અમે આવો રાખ્યો છે ને !’ ત્યારે મેં કહ્યું, ‘મહારાજ, તમારો સિદ્ધાંત તમે રાખો, પણ લોકોને શું કરવા ઉપદેશ આપો છો આવો? તમારો સિદ્ધાંત હોય તો તમે સ્વતંત્ર રીતે તમારી પાસે રાખો, પણ લોકોને ઉપદેશ શા માટે આપો છો ? લોકોને કંઇ રસ્તે ચઢવા દો. અનંત ચોવીશી ગઇ તોય મૂર્તિઓ મૂકાયેલી હતી પહેલેથી જ, કારણ કે બાળજીવો ક્યાં જશે ? મૂર્તિ એ બાળજીવો માટે છે. જેને સમજણ નથી તેવા બાળજીવો માટે છે, એ જ્ઞાનજીવો માટે નથી. મૂર્તિથી તો ચિત્ત એકાગ્ર થાય છે. મૂર્તિ તો વીતરાગ ભગવાનની છે અને એ લોકમાન્ય છે. અને સાથે ઉપર શાસનદેવતાનું જબરજસ્ત બળ છે. એ શાસનદેવ રક્ષણ કરનાર છે. એની ઉપર આંગળી કરવા જેવું નથી. ભગવાનની મહીં સ્થાપના છે.’ પછી કોઇ મહાવીરનું ફક્ત નામ જ દે તો પણ ઘણું છે, કારણ કે વીતરાગ ભગવાનનું નામ છે. કોઈ માણસનું નામ દે એના કરતાં તો ભગવાનનું નામ એ તો સારું જ ને ? નામ સાથે ભગવાન કોણ છે, કેવા છે, તે જાણે. આચાર્યશ્રી ધર્મદાસ મુનિએ કાળની વિચિત્રતાને લઇને લોકોનું ગુરુ પ્રત્યેનું મહાત્મ્ય ઘટતું જતું હતું ને મૂર્તિ પર વધતું જતું હતું, તે ગુરુનું મહાત્મ્ય વધારવા તે સમજાવવા ગયા કે જે લોકોને મૂર્તિમાં એકાગ્રતાનું ધ્યાન બેઠું છે એ ભલે સ્થાપનામાં રહે અને ગુરુ પાસે રહે. પણ આ તો મૂર્તિનું આખું ઊડી ગયું ને માત્ર ગુરુ પૂજવાનો ધર્મનો પંથ પડી ગયો. મહારાજ કહે : ગુરુ એ તો ચેતન કહેવાય ને? મેં કહ્યું : ના, આ પાંચ ઇન્દ્રિયથી જે જે દેખાય છે, સંભળાય છે એ બધું અચેતન જ છે. આ તમે નવકાર મંત્ર બોલો છો એય મૂર્તિ જ છે ને ? આ વીતરાગ ભગવાનની મૂર્તિ ઉપર તો લોકોના કેવા ગજબના ભાવ હોય છે ! માટે તેને દ્વેષથી ના જોશો. મહારાજ કહે : પણ અમારો સિદ્ધાંત મૂર્તિને માનતો નથી. મે કહ્યું : મહારાજ જરા વિચારજો. મારી વાત ખોટી હોય તો હું વાતને સ્વીકારી લઉં છું. તમને દુ: ખ થતું હોય તો પ્રતિક્રમણ કરીએ છીએ તમારું, પણ કંઇક વિચારો. આ બાળજીવોને પાછળ તો સારી રીતે ચાલવા દો. તમને જે અનુકૂળ આવે તેમ કરો. મહારાજ કહે : ‘મને તમારી વાત માન્યામાં નથી આવતી.’ મેં કહ્યું : ‘મહારાજ, મારી વાત તમને શી રીતે માન્યામાં આવે ? મારી વાત ખોટી હશે એવું તમને લાગે એ વાત હુંય કબૂલ કરું છું. કારણ કે જે માણસ જે વસ્તુ કરતો હોય તેને તે સાચી જ લાગે. ખાટકી હોય ને તેને એ કરતો હોય એમાં પાપ છે એવું ના લાગે. કારણ કે જે કાર્ય કરે તેનું આવરણ આવી જાય. તેમાં સત્અસત્નો વિવેક જતો રહે. પછી શું થાય ? જ્યાં સત્અસત્નો વિવેક જતો રહે પછી ગમે તેટલું કરવાથી લાખ અવતારેય હજુ સત્ય નહીં સમજાય.’ આ મહારાજને વિનંતી કરી કહું છું, ખરાબ લાગે તો (પા.૧૬) ગાળો દેજો કે ‘મહારાજ, તમે મોક્ષે જવા માટે આ તપ કરી રહ્યા છો ?’ મહારાજ કહે : ‘હાસ્તો. બીજા શાને માટે કરીએ છીએ ?’ મેં કહ્યું : ‘ભગવાને કહેલું કે મોક્ષે જવા માટેનું તપ તો અદીઠ હોય, કોઇ દેખી ના શકે. તમારા તપ તો કસરતશાળા જેવા છે. શું તમે ‘કસરત’ કરો છો? મોક્ષે જવા માટે આવાં તપ ના હોય.’ ભગવાને આવા તપને ના કહ્યું છે. ભગવાને કહેલું કે જ્યાં સુધી દેહ સહજ નહીં થાય ત્યાં સુધી આત્મા સહજ પ્રાપ્ત નહીં થાય. જ્યારે દેહ સહજ થશે અગર તો આત્મા સહજ થાય, એટલે કે દેહ અને આત્મા બેમાંથી એક સહજ થાય તો બેઉ સહજ થશે ને ત્યારે કામ થશે. ‘દાદા’ને સોંપી લાવો ઉકેલ આપણે ત્યાં એક ભાઈ આવેલા એનો એકનો એક દીકરો હતો તે મરી ગયો હતો. મેં એને પૂછયું, ‘છોકરાંને ઘેર છોકરો છે કે નહીં ?’ ત્યારે કહે, ‘છે ને, હજુ નાનો છે, પણ આ મારો છોકરો તો મરી ગયોને!’ ત્યારે મેં કહ્યું, ‘તમે અહીંથી બીજે ભવમાં જશો તો ત્યાં શું આવશે ? ત્યારે કહે કે ‘ત્યાં તો બધું ભૂલી જવાય.’ એટલે છોકરો ગયો એની ચિંતા નથી, આ તો નહીં ભૂલવાથી જ ભાંજગડ છે ! પછી મેં કહ્યું કે ‘હું તમને ભૂલાવી દેવડાવું ?’ ત્યારે કહે, ‘હા, ભૂલાડી દો.’ એટલે પછી મેં એને જ્ઞાન આપ્યું, પછી એ ભૂલી ગયા. પછી એને કહ્યું કે હવે યાદ કરો જોઈએ, તોય યાદ ના આવે. એટલે ‘દાદા ભગવાન તમને સોપ્યું’ એવું બોલજો. તમને ખાતરી છે કે નથી ? સો એ સો ટકા ખાતરી છે કે થોડી કાચી છે ? દાદાને સોંપજોને, બધો ઉકેલ આવી જશે ! સ્પૃહા જ નહીં, ફૂલ હો કે ફૂલની પાંખડી એકવાર એક જણે અમે રહેતા’તા ને ત્યાં બધો સામાન મોકલ્યો, મજૂરો પાસે. મેં કહ્યું, આ મારવાડી લાગે છે, ફેંટોબેંટો બાંધ્યો છે ! તે મોટો મિલમાલિક હતો. તે આવડી આવડી ત્રણ પેટીઓ તે જાણે શુંય સામાન લાવ્યો હોય ! ચાંદીના વાસણો લાવ્યો હોય કે શુંય લાવ્યો હોય તે ! તે મજૂરને માથે ચઢાવીને લાવેલો અને બધું મુકાવડાવ્યું એટલે મહીં જરા અવાજ થયો વાસણો જેવો. એટલે સમજી ગયો કે આ કશુંક લાવ્યો છે આ મારવાડી ! એ મારવાડીને પૂછ્યું, ભઇ, યે ક્યા હૈ શેઠ? યે ક્યા ચીજ હૈ ? ત્યારે કુછ નહીં સાહેબ, કુછ નહીં, કુછ નહીં, ફૂલ નહીં ને ફૂલની પાંખડી, કહે છે ! એટલે હું સમજી ગયો આ. મેં કહ્યું, ‘શેઠ આ શું છે, અહીં આ તોફાન, આ બધું લાયા છો તે?’ પછી મેં કહ્યું, ‘ફૂલની પાંખડી ઈધર ક્યું લાયા ? હું કંઈ સાધુમહારાજ છું નહીં.’ ત્યારે કહે, ‘ના, ના, આપ સ્વીકારો એટલું.’ ત્યારે મેં કહ્યું, આ શેના જેવું છે તેનો હું તમને દાખલો આપું કે તમારી સિલ્ક મીલ છે. તેમાંથી લીંટ આવે છે. વધારે લીંટ આવે છે તે મને ચોપડવા આવ્યા છો તમે, ખરું ને ? પણ હું કોન્ટ્રાક્ટનો ધંધો કરું છું. મારી લીંટ કોને ચોપડું કહો હવે. તમે જ કહો, તમે ન્યાય કરી આપો કે તમે તો તમારી લીંટ મને ચોપડી જાવ. પણ મારી લીંટ આવે તો કોને ચોપડવી? એટલે ગભરાઈ ગયો બિચારો, આ લીંટ કહીને એટલે ! મેં કહ્યું, કોઈને ના આવતી હોય એવું, સાધુસંન્યાસીઓને ના આવતી હોય ત્યાં ચોપડી આવો. અહીં ક્યાં આવ્યા ? મારે લીંટ બહુ આવે છે, આ કોન્ટ્રાક્ટનો ધંધો છે એટલે. પછી મને કહે છે, ‘પણ સાબ...’ એટલે હું સમજ્યો કે આને શું ઇચ્છા છે એ તો પૂછવા દો. મેં કહ્યું, ‘શેઠ શું જોઈએ છે તમારે ? આ બધી વસ્તુઓ પાછી મોકલી દો. પણ તમારે શું જોઈએ છે એ મને કહીને જાવ.’ ‘કુછ નહીં, કુછ નહીં.... શેર મીટ્ટી, શેર મીટ્ટી.’ ‘બળ્યું તારું જીવતર!’ શેઠને મેં કહ્યું, ‘કયા અવતારમાં તમે બચ્ચા વગર રહ્યા’તા.’ કૂતરામાં ગયાં, માંકડામાં બચ્ચા, ગિલોડી, બિલાડી, ફલાણી બધે જ્યાં (પા.૧૭) જ્યાં જુઓ ત્યાં બચ્ચાં, કેળમાં ગયા તોય બચ્ચાં! કેળને કેળ હોય ને, તે એને બચ્ચા ઊભા થાય પાછાં. જ્યાં જુઓ ત્યાં બચ્ચાં, બચ્ચાં ને બચ્ચાં ! હજુ અકળાયો નહીં મૂઆ ? દેહોપાધિ છતાં અંત: કરણની સમતા અમારું મન અનંત અવતારથી કેળવાયેલું છે. બહાર ગમે તે થાવ, પણ અમારું મન કેળવાયેલું હોય. હવે, અત્યારે આ પગ ભાંગ્યો અને એના ઉપચારમાં જો કંઈ મનને દુ: ખ થઈ જાય તો એ મનનાં ડેવલપમેન્ટને તોડે. એટલે પછી અમે બીજા ઉપચારો ના પાડેલા અને એ પણ કહેલું કે આ (બેભાન કરવાની) શીશી અમને સુંઘાડશો નહીં. કારણ કે અમારું જે મન છે, એણે તો કોઈ દહાડોય ડિપ્રેશન દીઠું નથી, એક સેકન્ડેય, છેલ્લા વીસ વર્ષમાં અને એલીવેટ પણ કશું નહીં અને આ પડી ગયો તોય પણ આનંદ કોઈ દહાડોય, એક ક્ષણવાર ગયો નથી. પ્રશ્નકર્તા : આ તો શરીર છે અને પેલું તો મનછે. દાદાશ્રી : ના. આ શરીર છે છતાં આ પગ ભાંગ્યો ને મહીં વેદના થવી જોઈએ, એ વેદનાથી જે તકલીફ થાય, બેસવાની પ્રક્રિયા, એમાં જો કંઈક દુ: ખ આવવું જોઈએ, પણ એ દુ: ખ પડ્યું નથી. અત્યારે સંડાસ જવું પડે, એ બધું ક્રિયા થાય, તોય શરીરને કશી અસર નથી થતી. બેઠા હોય પછી ઊઠું છું તોય અસર થતી નથી, એક મિનિટેય અસર થતી નથી. મનબુદ્ધિચિત્ત ને અહંકાર એટલું બધું સુંદર ડેવલપ થયેલું કે એ વીસ વર્ષથી આઘુંપાછું થયું નથી, ડિપ્રેસ નથી થયું કે એલીવેટ થયું નથી. આપને સમજમાં આવ્યું ને ? એટલે અમારે આ મન કેટલું બધું ડેવલપ થયેલું, ચિત્ત કેવું સુંદર ડેવલપ થયેલું, અહંકાર કેટલો બધો આમ ડેવલપ થયેલો! હવે આવું સુંદર ડેવલપ થયેલું હોય ત્યાં આ પગને સાંધવા માટે પેલી શીશી સુંઘાડવાનો વખત આવે, તે આવા સ્થૂળ માટે મારે મહીં મનબુદ્ધિચિત્તઅહંકાર કેવા ડેવલપ થયેલાં, તે બગડી જાયને ! પગ ભાંગ્યો કે સંધાઈ રહ્યો છે ? મારે આ પગ ભાંગ્યો ત્યારે જગતના લોકો આને ‘પગ ભાંગી ગયો’ એમ કહે છે. ત્યારે હું શું કહું છું કે ‘ના, આ તો પગ સંધાઈ રહ્યો છે.’ પગ ભાંગ્યો હતો, તે તો પહેલા ભાંગ્યો’તો ! એટલે આ કંઈ નવું નથી. લોક મને કહે છે, ‘તમારે પગે ફ્રેક્ચર થઈ ગયું ?’ ના, અલ્યા, ભાંગ્યો હતો એ તો તે દહાડે ભાંગ્યો હતો, હવે આ તો અત્યારે સંધાય છે. અત્યારે આ રૂપકમાં આવ્યું એ તો સંધાવાની શરૂઆત થઈ છે અને આ ‘ફ્રેક્ચર’ થવું એ તો સાંધો છે. શાનો સાંધો ? સંધાવાનો સાંધો છે. ફ્રેક્ચર થયું તે મિનિટથી મહીં સંધાવાનું શરૂ થઈ ગયું. રૂપકમાં ભાંગ્યું ત્યારથી જ સંધાવાની શરૂઆત થાય છે અને ખરેખર ફ્રેક્ચર કઈ મિનિટથી થવા માંડ્યું તેય અમે જાણીએ. આ વાતમાં જગત ઊંડું ઊતરી શકે નહીંને! ‘સંધાવાની શરૂઆત’ને જ આપણાં લોક કહે છે કે ‘આ ફ્રેક્ચર થયું.’ ત્યારે અમે કહીએ છીએ કે અલ્યા, આ તો સંધાવા બેઠું છે, તેને શું કરવા ‘ફ્રેક્ચર’ થયું કહે છે? હવે તો સંધાવાની બિગિનિંગ (શરૂઆત) થઈ, હવે આ તો કન્સ્ટ્રક્ટિવ (સંધાવાનું) છે. અમારે પગ ભાંગ્યો ત્યારે મેં જોયું કે આ નથી ચકરી આવી, નથી કશું મને થયું ને આ પાડ્યો કોણે? તે આમ જોયું ત્યારે તો દેખાયું કે ઓહોહો! સમજી ગયો, આ તો હિસાબ ચૂકતે કર્યો. કોઈ હિસાબ છોડે નહીં ને ! બન્યું એ ન્યાય સ્વરૂપ એટલે આ જગત, આ કુદરત એક મિનિટેય ન્યાયની બહાર ગઈ નથી. એટલે અમે તો કંઈ બને કે તરત જ જાણીએ કે આ બન્યું એ ન્યાય સ્વરૂપ છે, માટે કોઈને આરોપણ કરવા જેવું છે નહીં. ધક્કો મારનારને જોયો હોય તોય આરોપણ કરવા જેવું છે (પા.૧૮) નહીં. મારનાર તો બિચારો નિમિત્ત છે, આમાં કુદરત ન્યાય જ કરે છે. આ જે પગ ભાંગી ગયો છે તે અંબાલાલની ભૂલનું પરિણામ છે, અમારા આ જ્ઞાનના પરિણામે નથી. ત્યારે લોકો એમ કહે છે કે ‘તમને કેમ થાય?’ મેં કહ્યું કે ‘બધું જ થાય. પણ આ અંબાલાલનું પરિણામ છે, ભગવાનનું પરિણામ ન હોય આ અને ભગવાનને આવું થાય પણ નહીં.’ પ્રશ્નકર્તા : તો આ કઈ ભૂલનું પરિણામ છે ? દાદાશ્રી : તમે જેમ કોઈને ધોલ મારોને, એવું આ મેંય ધોલો મારેલી છે. ફક્ત તમે ઠોક્યે જ રાખો છો; જ્યારે મેં મારી રીતે પોલી મારી છે. પૂર્વભવમાં જે ધોલો મારી છે તે પોલી મારી છે, એટલે અમને એ ધોલનું ફળ આવે ખરું, પણ એ પોલું હોય એટલે સરળ રીતે મટી જાય. એને મટવા માટે ઊંચા નિમિત્ત મળી આવે, જ્યારે આને ગૂંચવે, એવા નિમિત્ત ના મળે. એટલે જવાબ ઉપરથી રકમ ખોળી કાઢે, તેની તો વાત જ જુદીને ! આવે-જાય તે ‘હું’ નહીં અમને કોઈ જગ્યાએ થાક જ નથી લાગતો. કેમ નથી લાગતો ? કારણ કે હું ક્યાં જઉં છું કે આવું છું ? ગાડીઓ જાય છે ને આવે છે. પછી મને શેનો થાક લાગે ? લોક જાણીજોઈને આવું બોલતા હશે? કે આ બધું ઊંધું જ છે ? આ વ્યવહાર ઊંધો છે, પણ તેમાં આપણે શાનો ઊંધો વ્યવહાર કરીએ ? આપણે છતો વ્યવહાર જાણતા થયા એટલે પછી ઊંધો વ્યવહાર કરે કોઈ ? આ વ્યવહાર સ્વભાવથી જ ઊંધો છે, એનું નામ જ રિલેટિવ છે ! રિલેટિવ છે આ, એટલે શું કે કોઈકના આધારથી એવું કહે કે ‘હું જાઉં છું.’ કયો આધાર ? ત્યારે કહે કે લોકો પણ એવું જ કહે છે કે ‘હું જાઉં છું.’ એ આધાર છે, તેથી આપણે પણ કહીએ કે ‘હું જાઉં છું.’ પણ હવે આપણને એ આધાર જોઈતો નથી. આપણને બીજો આધાર જોઈએ છે કે ‘હું ખરેખર જતો નથી, ખરેખર તો ગાડી જાય છે.’ ગાડીમાં ધકમક કરે તો વહેલો પહોંચી જાય ખરો? પ્રશ્નકર્તા : ના પહોંચે. દાદાશ્રી : કેમ ? ‘આજે ખાસ ઉતાવળ છે, ગાડીમાંથી ઉતરું કે હું સીધો કોર્ટે જઈશ.’ આમ તેમ ધકમક ધકમક કરે તો ? અને કોઈક ગાડીમાં નિરાંતે ઊંઘી જાય તો ? બન્ને મુંબઈ આવે કે ના આવે ? પેલો તો મુંબઈ આવતા સુધીમાં તો અરધો થઈ ગયો હોય ! પ્રશ્નકર્તા : જીવન વ્યવહારના સંયોગોનો સામનો કરતાં જે થાક લાગે છે, એનું કારણ આ જ હશે ? દાદાશ્રી : તમારી શોધખોળ સાચી છે ! આપણા લોકો ગાડીમાં મુંબઈથી આવે છે ને વડોદરે ઊતરે છે. પછી કહેશે શું કે ‘હું બહુ થાકી ગયો.’ અલ્યા, તમે દોડ્યા બહુને ! આખી રાત દોડ દોડ કર્યું, એટલે આ થાકી ગયો ને ? ગાડીનું ભાડું આપ્યું, ગાડીવાળા પણ કહેશે કે ‘સૂતા સૂતા જાવ.’ પછી તમારે બેસીને જવું હોય તો બેઠાં બેઠાં જાવ, પણ તમને અનુકૂળ આવે એ રીતે જાવ. પણ તોય એ શું કહેશે કે ‘હું વડોદરા જઉં છું.’ તે ‘હું જઉં છું’ બોલે છે, તેનો આ થાક લાગે છે. ખાલી ‘સાયકોલોજિકલ ઈફેક્ટ’નો જ એ થાક લાગે છે. અમે તો નિરાંતે વડોદરા ઊતરીએ. કોઈ પૂછે કે તમને ગાડીમાં થાક લાગ્યો ? ત્યારે હું કહું કે ‘મને શાનો થાક ? હું તો ગાડીમાં બેઠો, ત્યાં પછી મેં આરામ કર્યો, સૂતો અને ગાડીમાં અહીં સૂતાં સૂતાં આવ્યો છું.’ બધાએ કહ્યું કે ‘બડૌદા આયા, બડૌદા આયા’ એટલે ઊતરી પડ્યો. એમાં મને શેનો થાક લાગે ?’ આ તો ખોટું માનીએ કે ‘હું જઉં છું.’ એની પછી દેહ પર બધી અસરો થાય છે. ‘રેસકોર્સ’ના સરવૈયે અમારે કંપનીમાં પહેલો નંબર આવવા માંડ્યોને, ત્યારે મનમાં પાવર પેઠો કે આ તો ભેજું બહુ સરસ (પા.૧૯) કામ કરે છે. પણ તે એય અક્કલ નહોતી, કમઅક્કલપણું હતું, ઉપાધિ લાવવાનું સંગ્રહસ્થાન હતું. ઉપાધિ ઘટાડે, એનું નામ અક્કલ કહેવાય ! હા, આવતી ઉપાધિ આપણી પાસે આવે નહીં, વચ્ચે બીજો કોઈ મોડ પહેરી લે ! તે ઉપાધિ એની પાસે જાય. આ લોકોની તો રીત જ ખોટી છે, રસમ જ આખી ખોટી છે ! તે આ લોકોની રીત ને રસમ પ્રમાણે આપણે દોડીને પહેલો નંબર લાવ્યા. હું તો એમાં યે દોડેલો, ખૂબ દોડેલો, પછી યે પાછો છેલ્લો નંબર આવ્યો, તે હું પછી સમજી ગયો કે આ દગો છે ! ત્યારે થયું કે ‘આ ચક્કર કઈ જાતનું ? આ તો ફસામણ છે !’ આમાં તો કોઈ નંગોડ માણસ ગમે ત્યારે આપણને ધૂળધાણી કરી નાખે. એવું કરી નાખે કે ના કરી નાખે ? પહેલો નંબર આવ્યા પછી બીજે દહાડે જ હાંફ હાંફ કરી નખાવે ! એટલે અમે સમજી ગયા કે આમાં પહેલો નંબર આવ્યા પછી છેલ્લો નંબર આવે છે, એટલે ઘોડદોડમાં ઊતરવું નહીં. અમે તો નિરાંતમાં ને નિરાંતમાં રહેલા. પહેલાં તો રસ્તા આમ વાંકાચૂંકાને, તે મહીં ગણતરી થાય કે આ રસ્તો આમ વળી અને પાછો પેણે જાય છે ! તે આખું કુંડાળું હોય તો એકના ત્રણ ગણા થાય, તો આ અડધું કુંડાળું દોઢ ગણું થાય. તે દોઢો રસ્તો ચાલવાને બદલે સીધું જ ચાલેલો. લોકોના રસ્તે ચાલેલો જ નહીં પહેલેથી, મારે લોકરસ્તો જ નહીં. લોકરસ્તે ધંધો યે નહીં. જુદો જ ધંધો ! રીતેય જુદી ને રસમેય જુદી. લોકો કરતાં બધું જ જુદું. એટલે અમે તો આ એક જ શબ્દ કહીએ કે ‘અમારામાં બરકત નથી રહી હવે.’ બરકત તો અમે જોઈ લીધી ! બહુ દોડ્યા, ખૂબ દોડ્યા! એ તો સરવૈયું કાઢીને આ અનુભવથી કહું છું. અનંત અવતારથી દોડ્યો, તે બધું નકામું ગયું. ‘ટોપ’ ઉપર બેસે એવું દોડ્યો છું, પણ બધે માર ખાધો છે. એનાં કરતાં ભાગોને, અહીંથી ! આપણી અસલ જગ્યા ખોળી કાઢો, હેય....જાયજેન્ટિક !! એટલે ઉપરથી દેવ આવીને કહે, ‘તમને આ ઘોડદોડમાં પહેલો નંબર આપીએ છીએ.’ તોયે કહીએ, ‘ના, આ દાદા એ જગ્યાએ જઈ આવ્યા છે, તે જગ્યાની વાત એ કહે છે ને તે અમને સાચું લાગ્યું. અમારે ઘોડદોડ જોઈતી જ નથી.’ અમારા સંબંધી સાથે પૈસા સંબંધી વાત નીકળીને, ત્યારે મને કહે છે, ‘તમે તો બહુ સારું કમાયા છો.’ મેં કહ્યું, ‘મારે તો એવું કશું છે જ નહીં. અને કમાણીમાં તો, તમે કમાયેલા છો. હેય.... મિલો રાખી ને એ બધું રાખ્યું. ક્યાં તમે ને ક્યાં હું ? તમને નહીં જાણે શું આવડ્યું, તે આટલું બધું નાણું ભેગું થયું. મને આ બાબતમાં ના આવડ્યું. મને તો પેલી બાબતમાં જ આવડ્યું.’ આવું કહ્યું એટલે આપણને અને એને સાઢુંસહિયારું જ ના રહ્યુંને ! ‘રેસકોર્સ’ જ ના રહ્યો ને ! હા, કંઈ લેવાદેવા જ નહીં. ક્યાં એમની જોડે સ્પર્ધામાં ઉતરવાનું હતું ? હંમેશાંય લોક આવી સ્પર્ધામાં હોય, પણ હું એમની જોડે ક્યાં દોડું? એમને ઈનામ લેવા દોને ! આપણે જોયા કરો. હવે હરીફાઈમાં દોડે તો શી દશા થાય ? ઘૂંટણિયા બધું છોલાઈ જાય. એટલે આપણું તો કામ જ નહીં. શંકાથી શું ફાયદો ? અમે પેલી નેપાળની જાત્રાએ બસ લઈને ગયા હતા ત્યારે રસ્તામાં યુ.પી.માં રાત્રે બાર વાગે એક શહેર આવ્યું હતું. કયું હતું એ ગામ ? પ્રશ્નકર્તા : બરેલી હતું એ. દાદાશ્રી : હા. તે બરેલીવાળા ફોજદાર કહે કે, ‘બસ ઊભી રાખો.’ મેં પૂછયું કે ‘શું છે?’ ત્યારે એમણે કહ્યું કે, ‘અત્યારે આગળ નહીં જવાનું. રાત્રે અહીં રહો, આગળ રસ્તે લૂંટે છે. પચાસ માઈલના એરિયામાં આ બાજુથી, પેલી બાજુથી બધાને રોકે છે.’ ત્યારે મેં કહ્યું કે, ‘ભલે લૂંટાય, અમારે તો જવું છે.’ ત્યારે છેવટે એ લોકોએ કહ્યું કે ‘તો જોડે બે પોલીસવાળા (પા.૨૦) લેતા જાઓ.’ ત્યારે મેં કહ્યું કે, ‘પોલીસવાળા ભલે બેસાડો.’ એટલે પછી બે પોલીસવાળા બંદૂક લઈને બેઠા, પણ કશું થયું નહીં. એ યોગ જામવો એ તો મહા મહા મુશ્કેલી છે! અને એ યોગ જામવાનો હશે તો હજારો પ્રયત્નો કરશો તોય તમારા પ્રયત્નો ધૂળધાણી થઈ જશે ! એટલે ડરવું નહીં, શંકા કરવી નહીં. જ્યાં સુધી શંકા ન જાય ત્યાં સુધી કોઈ દહાડોય કામ થાય નહીં. નિ: શંકતા આવે નહીં ત્યાં સુધી માણસ નિર્ભય થઈ શકે નહીં. શંકા ત્યાં ભય હોય જ. ‘જ્ઞાની’, મનના ખુલાસાના ડૉક્ટર પહેલાં મને જ્ઞાન નહોતું થયું ત્યારે એક જણ મને કહે, ‘આજે વ્યાખ્યાનમાં આવશો ? મેં કહ્યું, ‘વ્યાખ્યાનમાં આવું તેના કરતાં હું પુસ્તકમાં વાંચી લઈશ, વળી ત્યાં આગળ આવવુંજવું ! મારે વ્યાખ્યાન નહીં જોઈએ, પણ મારા પ્રશ્નનો જવાબ આપે, મારા મનનો ખુલાસો કરી આપે તો હું આવું. દેહના ખુલાસા કરનારા ડૉક્ટર મેં જોયા, પણ મારા મનને જુલાબ આપી, મારા મનને ખુલાસો કરે એવો ડૉક્ટર હું ખોળું છું!’ મનનો ખુલાસો જોઈએ કે ના જોઈએ બળ્યો ? પ્રશ્નકર્તા : જોઈએ. દાદાશ્રી : એટલે મેં અહીં બધાને છૂટ આપી. મેં કહ્યું, ‘હજારો પ્રશ્નો પૂછો તમારી મેળે, તમારું મન ખુલ્લું થઈ જશે. ભલે તમે આ જ્ઞાન સમજો કે ના સમજો, મારે કંઈ લેવાદેવા નથી.’ આ જ્ઞાન થકી કંઈ ક્વૉન્ટિટી (સંખ્યા) ભેગી કરવા નથી હું આવ્યો કે ભઈ, મારે મોટી ગાદીનું સ્થાપન કરવું છે. મારે કશું જોઈતું જ નથી જ્યાં આગળ! હું તો લઘુતમ ભાવે રહું છું. લોકો કહે છે, ‘તમે ભગવાન થઈ બેઠા !’ મેં કહ્યું, ‘ના. હું લઘુતમ છું. મારે ભગવાન થઈને શું કામ છે ?’ શું ફાયદો કાઢવાનો ? હું એનો ભગવાન થઉં, એના કરતાં મને ભગવાન વશ થયા છે એ શું ખોટું છે? ભગવાન મને વશ થયા છે એની હું ગેરન્ટી આપું છું. તો એ સારું કે ભગવાન થવું એ સારું ? આડાઈનું પરિણામ, થાય વાણી બંધ એક જણની ઑફિસમાં પાંચસાત જણને જ્ઞાન મળ્યું હશે. તે ત્યાં આગળ ઑફિસમાં ‘દાદા ભગવાન, દાદા ભગવાન’ એની બધી સ્તવના કર્યા કરે, એવી કીર્તનભક્તિ કર્યા કરે. એટલે બીજા એક જણને મગજમાં પારો ચઢી ગયો. એ એમની ઑફિસનો હતો. એને થયું કે આ બધા શું ‘દાદા, દાદા’ કરતા હશે ? શું સમજતા હશે આ લોકો ? તે પછી આ બધાને કહે છે, ‘હું તમારા દાદા પાસે એક ફેરો આવીશ. મારે એમની ખબર લેવી છે.’ શું કહે છે, દાદાને પાંસરા કરવા છે. એ માણસ છે તે મારી જોડે લઢવા માગતો હતો. એ માણસને ખૂબ ગુસ્સો ચઢી ગયો કે આ મોટા ‘દાદા ભગવાન’ છે, તે મારે સીધા કરી નાખવા છે આમને. તે એના ઑફિસવાળાએ મને કહ્યું કે ‘અમારી પાછળ પડ્યો છે આ માણસ રોજ. તેને અહીં આવવું છે.’ મેં કહ્યું ‘આવવા દો ને ! વાંધો શું છે? ગાળો ભાંડે તેય આપણને આવકાર છે ને ફૂલ ચઢાવે તેય આવકાર છે. મારે જુદાઈ નથી. કારણ કે હું ગાળો ભાંડનાર જોતો નથી. ગાળો ભાંડનારની મહીં ‘કોણ છે’, એને હું જોઉં છું. અતત્ત્વને હું જોતો નથી. મારે અતત્ત્વનું શું કામ છે? ગધેડુંય અતત્ત્વ જ છે ને આય અતત્ત્વ છે. હું તો તેમાં તત્ત્વની તપાસ કરું છું. પછી મેં કહ્યું, ‘બોલાવો એને!’ એ પછી રજા હશે, તે દહાડે એ આવ્યો. એની ઑફિસવાળા બધા જોડે આવેલા કે જોઈએ હવે શું તાલ થાય છે કે દાદાને એ પાંસરા કરે છે કે દાદા એને પાંસરો કરે છે ! એટલે પછી એ બેઠા હતા. મારા આવતા પહેલાં સત્સંગમાં બીજા ભેગા થયા, તે એમની જોડે જીભાજોડી કરવા માંડી, બધી બુદ્ધિની વાતો. હવે બુદ્ધિની વાતોનો એન્ડ જ ના આવે. અમે તો એન્ડ લાવી આપીએ. પછી છે તે એ બુદ્ધિની વાતો થતી હતી ને હું આવી પડ્યો. મને પેલી ખબર નહીં કે આ માણસે આવો ડખો કર્યો છે, અહીં આગળ. અને હું જાણુંય નહીં કે આ મારો પારો (પા.૨૧) ઉતારવા આવ્યો છે. એટલે પછી મેં બધાને પૂછયું કે આજ કેમ કોઈ સત્સંગ કરતા નથી ? કોઈ સત્સંગ કરો ને ! બોલો ને ! પેલા ભાઈને નવા દીઠા, એટલે મેં એમને કહ્યું, ‘તમે બોલો ને, કંઈક બોલો ને, શું વાંધો છે ?’ ત્યારે એ કહે છે, ‘ખરું કહું, અહીં ગળે સુધી આવે છે પણ શબ્દ બહાર નીકળતો નથી.’ હું સમજી ગયો કે આ દાદાના ગુનામાં આવ્યો છે, હરાવવા આવ્યો છે. તે શબ્દ અહીંથી નહીં નીકળે, મહીંથી અક્ષરેય નહીં નીકળે. આ આણે આડાઈ કરી છે, તેનું આ ફળ મળ્યું. વાણી જ બંધ થઈ જાય મારી પાસે. ઘણા માણસોની વાણી તે બિલકુલેય, અક્ષરેય બોલી શકે નહીં. અને વાંકો માણસ તો મારી પાસે આવી શકતો નથી. પેલો પગથિયું ચઢે ને તો કહી દઉં કે પેલો માણસ પાછો ઊતરી જશે. અહીં લોકો મને પૂછે છે ને, કેટલાકને કહું છું કે કેમ પ્રશ્ન પૂછતા નથી ? ત્યારે કહે, ‘ઘરેથી નીકળ્યો ત્યારે પ્રશ્નો બહુ પૂછવા હતા, પણ અહીં આવ્યા પછી નીકળતું નથી.’ એ તો દાદા પાસે તો આ બોબડી બંધ થઈ જાય ! પેલો ભઈ આવેલો, તે ઘેરથી નક્કી કરીને આવેલો. હું આવ્યો હતો, તે પહેલાં વાતો કરવા માંડેલો. તે આપણા મહાત્માને તો પાડી દે ને! વાર ના લાગે ને ! એમને તો હરાવી દે ને! મનેય હરાવી દે એવો હતો. જુઓને, અજાણ્યા માણસ હોય છે, તોય પણ અહીં આગળ વિવાદ કરતા નહોતા. કારણ કે આ સાચું જ હોય, એક્ઝેક્ટ હોય. ગમે તે કોઈ અજાણ્યો માણસ હોય તોય આમ કહેશે, કરેક્ટ છે. પછી એને સ્વીકાર કરવું ના કરવું એની મરજીની વાત છે. કરવું ના કરવું, એની પ્રકૃતિ કહે તેવું કરે. આ વાણી તો તરત આવરણ ભેદી આત્માને પહોંચાડી દે છે. આવરણભેદક વાણી કહેવાય છે આ. તે તરત જ સીધી પહોંચાડી દે ને તરત કબૂલ કરી દે. વિવાદ ના કરે અને પેલું તો વાદવિવાદ ને તોફાન! અને વાદવિવાદ હોયને ત્યાં ધર્મ ના હોય. એ તો માથાફોડ કહેવાય, કાગડાની સભા કહેવાય. પરમહંસની સભા જોઈએ. ચાંચ બોળતાની સાથે આમ આ બાજુ દૂધ થઈ જાય ને આ બાજુ પાણી થઈ જાય, ભેદ પડી જાય. અને આત્માપરમાત્માની વાત, એ તો પરમહંસો માટેનું કામ. અહીં બીજું કશું હોય નહીં. આત્માપરમાત્માની એકલી વાત નીકળે, એવી કોઈ જગ્યાએ હોય નહીં. જ્યાં આગળ એકલી આત્મા ને પરમાત્માની વાત હોય, ત્યાં દેવલોકો હઉ પધારે. ‘જેનાં વાણી, વર્તન ને વિનય છે મનોહર પ્રેમાત્મા.’ એટલે વાણી જોવી, વર્તન જોવું અને વિનય જોવો. આ ત્રણ જો મનોહર દેખાય તો આપણે જાણવું કે અહીં કંઈક છે. બહાર કપડાં કેવા પહેરે છે ? એ વાણી, વર્તન અને વિનય એ ત્રણ કપડાં છે. એ કપડાં પરથી જોવું હોય તો ખબર પડે કે આ દુનિયામાં અહીં માલ મળશે કે નહીં, તે આપણને ખબર પડે. જે ખુલ્લાં દેખાય એ કપડાં કહેવાય. વાણી, વર્તન ને વિનય, એ ખુલ્લા દેખાય કે ના દેખાય ? આ વાણી, વર્તન ને વિનય જેના મનોહર હોય, ત્યાં મોક્ષ થાય. જેની વાણીમાં સ્હેજ પણ હિંસા હોય, સ્હેજ પણ પક્ષપાત હોય તો મોક્ષ ના થાય. અમારી વાણી નિષ્પક્ષપાતી હોય, એટલે કોઈ જીવને કિંચિત્માત્ર દુ: ખ ના થાય. અમારું વર્તન મનોહર હોય ને વિનય તો બહુ ઊંચો હોય. ‘જ્ઞાની પુરુષ’ એકલા જ કાયમના સુખી હોય. એ મોક્ષમાં જ રહેતા હોય. એમની પાસે જઈએ તો આપણો ઉકેલ આવે. નહીં તો ભટક ભટક કરવાનું છે. એટલે સો વખત લખ્યું છે કે જ્ઞાની પુરુષ મળવા દુર્લભ, દુર્લભ, દુર્લભ, દુર્લભ એમ સો વખત દુર્લભ પદ કહ્યું છે. અને કવિએ તો એવું કહ્યું કે સત્યુગમાં જે પુરુષ જડવા મુશ્કેલ છે, જે પુરુષ હોય નહીં, એ આ આવા કાળમાં છે, એય અજાયબી છે! - જય સચ્ચિદાનંદ |