મન વશ વર્તે, જ્ઞાનજાગૃતિએ

સંપાદકીય

આત્મજ્ઞાનની અનુભૂતિ પછી આપણને સમજાય છે કે મન-વચન-કાયાથી સંપૂર્ણ મુક્ત એવો ‘હું શુદ્ધાત્મા છું’ અને આત્માનો ધર્મ શું ? તો કહે, મન-બુદ્ધિ-ઈન્દ્રિયોના ધર્મને જુદું જોવાં. મન એ ‘જ્ઞેય’ છે અને પોતે તેનો ‘જ્ઞાતા’ છે. જ્ઞાતા-જ્ઞેયનો સંબંધ એટલે શું ? તો કહે, મનના વિચારોને જોયા કરવાના. એમાં તન્મય નહીં થવાનું. વિચારને જે જાણે છે, તે આત્મા છે.

જ્ઞાન જ એક એવી વસ્તુ છે કે જેનાથી મન બંધાઈ જાય, નહીં તો મન કોઈ દહાડો બંધાય નહીં. મન બંધાય એટલે શું કે જે પહેલાં મનની અવસ્થામાં તન્મયાકાર થઈને જે ભોગવટો આવતો હતો તે બંધ થઈ જાય ને પરિણામે જે ભયંકર કર્મો બંધાતા હતા તે બંધાય નહીં. જ્ઞાન પછી ચાર્જ મન બંધ થયું, ડિસ્ચાર્જ મન રહ્યું. જેને જોયા કરવાથી ખાલી થતું જાય. તેને હવે નવી શક્તિ મળતી નથી, જૂની શક્તિઓ વિખરાયા કરે એટલે પછી એ ખલાસ થઈ જાય.

વિચાર એ મનનો સ્વભાવ છે. એટલે એ તો એની મેળે આવ્યા કરવાના અને આપણે એને જોયા કરવાના. ખરા અર્થમાં વિચારને જોયો ક્યારે કહેવાય ? એ આપણને અસર ના કરે અને ‘નોટેડ ઈટ્સ કન્ટેન્ટ્સ’ કહીએ એટલે જોયો કહેવાય અને અસર થઈ ગઈ તોે તન્મયાકાર થઈ ગયો કહેવાય. તન્મયાકાર થઈ જવું એ અહંકારનો સ્વભાવ છે અને એમાં પોતે તન્મયાકાર ના થવું અને જુદા રહેવું એ જ્ઞાન મળ્યા પછીનો પુરુષાર્થ છે. એ પુરુષાર્થ જેટલો વધતો જાય એમ એમ જાગૃતિ પણ વધતી જાય. જાગૃતિ કોને કહેવાય કે વિચાર આવતા પહેલાં સમજાય કે આ તો ‘જ્ઞેય’ છે અને હું ‘જ્ઞાતા’ છું. મનના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય ત્યાં સુધી જાગૃતિ લઈ જવાની છે. પછી એ જાગૃતિ, જાગૃતિનું સંભાળી લે.

હવે આપણી પાસે આત્માનું જ્ઞાન છે એટલે મનને મારવાની કે ખસેડવાની જરૂર નથી પણ મનને મોક્ષનું સાધન બનાવવાનું છે. આપણે મનને કહેવું, તું અમારામાં ડખલ ના કરીશ, અમે તમારામાં ડખલ નહીં કરીએ. હવે આમ કહેવું કેવી રીતે શક્ય બને ? તો કહે, મન જોડે વાતચીત કરવાનો પ્રયોગ ગોઠવો. એટલે પછી ધીમે ધીમે પ્રેક્ટિસ પડતી જાય. આ વાતચીતનો પ્રયોગ એ દાદાની આગવી શોધ છે અને આ પ્રયોગથી ખૂબ શક્તિ વધી જાય. પછી પોતે ગમે તેવા સંજોગોમાં પણ સંપૂર્ણપણે મનથી જુદો વર્તી શકે.

દાદાશ્રી કહે છે કે આ તો અમે તમને અમારો જોયેલો-જાણેલો-અનુભવેલો માર્ગ બતાવીએ છીએ. અમે જે અમારી પ્રક્રિયા છે તે તમને કહીએ છીએ કે અમે કેવી રીતે સ્વતંત્ર થયા છીએ ! હવે તમે અમારું કહેલું અનુસરો એટલે એવું તમારી પ્રક્રિયામાં આવી જાય. પછી તમને મોક્ષ માટે કશું વાંધો નથી.

મોક્ષે જવું એ આપણો ધ્યેય છે એટલે દાદાના માર્ગને, દાદાએ કહેલું જે છે એને અનુસરવું છે. એ દાદાશ્રીના શ્રીમુખે વહેલી જે વાણી અત્રે સંકલિત થઈ છે, તે સહુને મનથી મુક્ત રહી, મુક્તિમાર્ગે પ્રયાણ કરવા માટે સહાયરૂપ બની રહેશે. માત્ર જરૂર છે, દ્રઢ નિશ્વય અને પુરુષાર્થની.

જય સચ્ચિદાનંદ

મન વશ વર્તે, જ્ઞાનજાગૃતિએ

બંધન કે મોક્ષનું કારણ, મન

પ્રશ્નકર્તા : ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે ને કે મન જ મનુષ્યનાં બંધનનું અને મોક્ષનું કારણ છે, તો એ સમજાવો.

દાદાશ્રી : બરોબર છે. મોક્ષે જવું હોય તોય મન લઈ જાય. કારણ કે એનાથી બંધાયેલા છે. માટે આપણે મનને ભાંગી ના નાખવું જોઈએ. મન નાવડું આ બાજુ વળે તો મોક્ષે જાય ને આ બાજુ વળે તો સંસારમાં ભટકે.

સંસારમાં ઊંધે રસ્તેય લઈ જનારું આ મન છે અને સદરસ્તેય લઈ જનારું આ છે. માટે જ્યાં સુધી કિનારે ના પહોંચાય ત્યાં સુધી આ મનને ભાંગી ના નાખીશ.

મન પાસે કામ લેવું, તે તમને નહીં સમજાવાથી આ દશા થઈ છે. જેમ આ એક બે લાખ રૂપિયાની મોટી લોન્ચ (યાંત્રિક હોડી) હોય, કોઈને ફ્રી ઓફ કોસ્ટ (મફત) આપી. પછી લોન્ચ દરિયામાં મૂકે. તે લોન્ચ તો જાય તો જાય પણ એ હઉ જાય. મહીં બેઠા હોય, તેનેય મારી નાખે. એને માટે કેવી રીતે લોન્ચને વાપરવી એ આવડવું જોઈએ ને ? એટલે અત્યારે મનને કેવી રીતે વાપરવું, એ એની પાસે તરકીબ નથી. તેની આ સ્થિતિ થઈ છે ને! નહીં તો મન તો બહુ સરસ કામ કરનારું છે.

સમજો મનનો ધર્મ

એટલે આ મનનું સાયન્સ (વિજ્ઞાન) તો સમજવું જોઈએ. આ બધી ઇન્દ્રિયોના જેવું એ પણ કામ કરી રહ્યું છે. એનો પોતાનો ધર્મ બજાવી રહ્યું છે. આપણને ના ગમતું હોય તોય કાન સાંભળ્યા વગર રહે જ નહીં ને ! તે સાંભળવું પણ, પછી આપણે એ ફોન ના લેવો હોય તો ના લઈએ, એ આપણું કામ છે.

કો’કના ધર્મને આપણે લઈ લઈએ, મનનો ધર્મ જ પોતે લઈ લે છે કે ‘હું જ કરું છું. આ મને જ વિચાર આવે છે.’ એટલે જ છે તે આ સંસાર ઊભો થાય છે. સંકલ્પ-વિકલ્પ ઊભાં થાય છે. આત્માનો સ્વભાવ શું? મનના ધર્મને જોયા કરે, બુદ્ધિના ધર્મને જોયા કરે, બધાના ધર્મને જોવું. કોણ કયો ધર્મ કેવી રીતે બજાવી રહ્યું છે એ જોવું, એનું નામ આત્માનો ધર્મ.

પ્રશ્નકર્તા : મનમાં વિચારો ઘણી જાતના આવે છે. મન તદ્દન શૂન્ય તો થતું નથી. વિચારો તો આવ્યા જ કરે છે.

દાદાશ્રી : વિચાર એ તો એવું છે ને, આ મન છે તે તમને ઇન્ફોર્મ (જાણ) કરે છે. આ સારું છે, આ ભયવાળું છે, આ આમ છે, તેમ છે, એવું એ એનો ધર્મ બજાવે છે. નહીં તો એ ભયની જગ્યાએ ના ઇન્ફોર્મ કરે તો એને માટે ગુનેગાર ગણાય. એમાં જેટલું તમારે ગ્રહણ કરવા જેવું લાગે એટલું ગ્રહણ કરવું ને બીજું છોડી દેવાનું. મન તો (એનો) ધર્મ બજાવે છે.

મન કેવું છે ? રડારની પેઠે કામ કરી રહ્યું છે. જેમ રડાર હોય છે ને, તે રડારમાંથી દેખાય કે આ બાજુથી ત્રણ એરોપ્લેન (વિમાન) લડવા માટે આવી રહ્યાં છે. તે ઘડીએ એ જોનારો ભડકે નહીં. તે ભડકવા માટે રડારમાં નથી દેખાતું. તે વખતે જોનારો દિશા બદલી નાખે કે આ દિશામાંથી આવે છે, માટે આપણે આ બીજી દિશામાં ચાલો. એવો સદુપયોગ કરવાનો છે. આ રડાર જેવો સ્વભાવ છે એનો. તે જે એને નજદીકમાં ભય દેખાય, તો બૂમાબૂમ કરી મેલે. જેમ રડાર ભડકાવેને પેલાને, એવું અહીં મન ભડકાવે.

મનનો એમાં શો દોષ ?

પ્રશ્નકર્તા : નિરંતર વિચારો આવ્યા જ કરે છે, એનું શું કારણ ?

દાદાશ્રી : એ વિચારો ના આવે તો પછી મન ખલાસ થઈ ગયું કહેવાય, બ્રેક ડાઉન (ભાંગી ગયું) થઈ ગયું કહેવાય.

એટલે મન કાઢી નાખવા જેવી ચીજ નથી. મનને મારી નાખવા જેવી ચીજ નથી. લોક મનને માર માર કરે છે. અલ્યા, મનને શું કરવા માર માર કરે છે ? બિચારા એનો શો દોષ ?

મનની ફિલ્મમાં ન કરાય કચકચ

પ્રશ્નકર્તા : વિચારોનું શમન કેવી રીતે કરવું?

દાદાશ્રી : વિચારો આપણે જોયા કરવા કે શું વિચારો આવે છે. આ સિનેમામાં ગયા હોય તો ફિલ્મ જોવાની હોય કે એની જોડે કચકચ કરવાની હોય ?

પ્રશ્નકર્તા : પણ મનમાં ઊલટા-સુલટા વિચાર આવે છે.

દાદાશ્રી : એ તો મનનો સ્વભાવ વિચાર કરવાનો છે. આપણે ના કહીએ તોય વિચાર કરે. આપણે કહીએ, ‘આવા વિચાર કેમ કરે છે ?’ ત્યારેકહે, ‘ના, મારે આવાં વિચાર કરવા છે.’ જેમ સાસુ ખરાબ મળી હોય, તે સાસુની અથડામણમાં ના આવવું હોય તો છેટા રહેવું હોય તો રહીએ, એવું મન જોડે છેટા રહેવું. એને કહીએ, ‘તું તારી મેળે બૂમો પાડ્યા કર.’

પ્રશ્નકર્તા : કોઈકવાર વિચારોની એટલી બધી ખેંચતાણ રહ્યા કરે કે જે જિંદગીમાં નથી અનુભવ્યું એ અનુભવવું પડે છે.

દાદાશ્રી : પણ આપણી પાસે જ્ઞાન છે તે, દોરો આપણી પાસે છે ને ! એટલે ગમે તેમ ગુલાંટ ખાય તો આમ ખેંચી લઈએ, એટલે પછી આવી જાય. અને વિચારોને ને તારે શું લેવાદેવા? વિચારો જ્ઞેય છે ને તું જ્ઞાતા છે. વિચારો તો, મન છે ત્યાં સુધી આવ્યા જ કરવાનાં. એ કંઈ ઓછા બંધ થવાના છે ?

વિચારોને કહી દઈએ કે ‘તમારી વાત તમે જાણો, અમે તમારા પક્ષમાં નથી.’ એટલે તમે ભગવાનના (આત્માના) પક્ષમાં બેઠા.

મન બંધાય જ્ઞાને કરીને

‘હું શુદ્ધાત્મા છું’ એ જ્ઞાન ઉત્પન્ન થયા પછી મન બાંધ્યું રહે, નહીં તો મન કોઈ દહાડો બંધાય નહીં. હવે તમને બંધાયેલું લાગે છે ને મન! એ સ્વવશ થઈ જાય પછી. હવે મન જે કૂદાકૂદ કરતું હોય ને, તે તો આપણે જોવાનું ને જાણવાનું. પછી એમાં ડખો રહ્યો જ નહીંને !

જ્ઞાન એક જ એવી વસ્તુ છે કે જ્ઞાનથી મન બંધાઈ જાય. પછી એને મન મુશ્કેલીમાં મૂકે નહીં કોઈ દહાડોય અને જ્ઞાન મળ્યા પછી મન એક્ઝોસ્ટ (ખાલી) થતું જાય. સેવન્ટી પરસેન્ટ હોય તો સીકસ્ટી પરસેન્ટ થાય, પછી ફીફ્ટીફાઇવ પરસેન્ટ થાય, ફીફ્ટી પરસેન્ટ થાય, એમ એક્ઝોસ્ટ થતું જાય. નવું છે તે પછી ઉત્પન્ન ના થાય, જૂનું એક્ઝોસ્ટ (ખાલી) થયા કરે.

પ્રશ્નકર્તા : મન અને આત્મા એકાકાર થાય તો સંસાર, અને મન અને આત્મા બન્ને જુદા રહે તો સંસાર ખલાસ થઈ ગયો ?

દાદાશ્રી : હા, એ જ મોક્ષ. એનો સંસાર ખલાસ થઈ ગયો, બસ! જગત આખાનો આત્મા મનમાં તન્મયાકાર થયા વગર રહે જ નહીં. અમે જ્ઞાન આપીએ તો છૂટું રહે. એટલે પછી આ મન છે તે ફેરફાર થઈ અને નાશ થતું જાય.

આપણો ધર્મ જોનાર-જાણનારનો

(હવે આપણે) જોયા કરવાનું કે મન શું વિચાર કરે છે. મન ખરાબ વિચાર કરે, સારા વિચાર કરે તોય બસ જોયા કરવાનું. બહાર ભેગા થાય તે સ્થૂળ સંયોગો અને મન જે દેખાડે, કો’કનું ખરાબ ચિંતવન કરતું હોય એ સૂક્ષ્મ સંયોગ કહેવાય. એની પર નિરીક્ષણ કરવાનું છે ફક્ત. બીજું કંઈ આપણે કરવાનું નથી. વિચાર એ આપણી શક્તિ નથી. એ શક્તિને પોતાની માનવાથી જ આ સંસાર ઊભો થયો છે. પછી મન આપણને બીવડાવે કે રસ્તામાં ગાડી અથડાશે તો શું થશે ? ત્યારે કહીએ, ‘‘શું થશે તે ? આપણે જોઈ લઈશું. આપણે તો જોનાર-જાણનાર છીએ. બીજું શું થવાનું ? અને જે થશે તે ‘વ્યવસ્થિત’ છે. ‘વ્યવસ્થિત’ની બહાર કંઈ થવાનું નથી.’’ એવું ‘વ્યવસ્થિત’ ગોઠવાયેલું છે કે જરાય અવ્યવસ્થિત ના થાય.

અસર ન કરે તો જોયું કહેવાય

પ્રશ્નકર્તા : તો પછી વિચારને જોવો કેવીરીતે?

દાદાશ્રી : આપણે આ અંદર વાંચીએ, કે એક્સિડંટ (અકસ્માત) થશે તો ? તો આપણે જોયો ક્યારે કહેવાય? એ આપણને અસર ન કરે અને ‘નોટેડ’ કહીએ એટલે જોયો કહેવાય. અને અસર થઈ ગઈ એટલે તન્મયાકાર થઈ ગયો.

વિચાર આવ્યો કે આજ બજારમાં નથી જવું, તો એય જ્ઞેય વસ્તુ છે. એમાં આપણે કશું લેવાદેવા નથી. મને એમ કેમ વિચાર આવે છે, એવું ના હોય હવે આપણને. કારણ કે આપણે એના માલિક જ નથી, હતાય નહીં અને આ જેમ છે તેમ જાણી ગયા. પછી હવે છૂટા થઈ ગયા.

વિરોધાભાસી મનને ઓળખાવે દાદા

વિચાર તો એની મેળે જ આવે છે. શું શું આવે છે, એને જોયા કરવાના, બસ. બીજું કશું નહીં. મનને એવું કશું નથી કે આમ જ બોલવું છે. તમે વાંકા થાવ તો એ વાંકું છે. એટલે નોટેડ ઇટ્સ કન્ટેન્ટસ્ (વિગતોની નોંધ કરી) એવું કહેવાનું. હા, નહીં તો કહેશે, ‘મારું માન નથી રાખતા.’ તારું માન પહેલું રાખવાનું, તો મન કંઈ દુઃખ દે? નહીં.

હું પોતે આવી રીતે મનને કહું છું, તે જ તમને કહું છું કે ભઈ, આ પ્રમાણે નોટેડ (નોંધ લીધી) કહેજો. તે પછી કશું નહીં. પછી બીજી સારી વાત કરશે. કારણ કે આ શરીરમાં એક જ ચીજ એવી છે જે સંપૂર્ણ વિરોધાભાસી છે. દરેક રીતે વિરોધાભાસી હોય તો મન છે અને એટલે જ મજા આવે છે. કારણ કે જો એક જ તરફી હોય ને, તો મજા ના આવે ને ! ઘડી પછી પાછું જુદી જ જાતનું કહેશે. વિરોધાભાસી! આ તો અમે જે અમારી પ્રક્રિયા છે એ તમને કહી દઈએ. અમે કેવી રીતે સ્વતંત્ર થયા છીએ તે. ભગવાનથી પણ સ્વતંત્ર થયા છીએ, એ તમને કહી દઈએ. એવું તમારી પ્રક્રિયામાં આવી જાય, પછી તમને વાંધો નથી. જોયેલો માર્ગ છે, અનુભવેલો માર્ગ છે, જાણેલો માર્ગ છે. તમે તમારી મેળે એડજસ્ટ કરો તો થઈ શકે એમ છે. ના થતું હોય તો મને કહો, અમુક જગ્યાએ મારે થતું નથી, તો હું તમને બતાવી શકું છું. બાકી મનને મારીને કોઈ મોક્ષે નહીં ગયેલો.

અહિંસક ઉપાયે મન યોગ્ય સ્થાને

શુદ્ધાત્મા મળ્યો એટલે ‘આ વ્યવસ્થિત છે’ અને તે કોઈનાથી આઘુંપાછું થઈ શકે એમ નથી. મનમાં જે ભાવો છે તે ભાવ પ્રગટ થયા વગર રહે નહીં. કારણ કે કાન સાંભળ્યા વગર રહે નહીં, એવું મન છે એ બોલ્યા વગર રહે નહીં. એ બોલે તો આપણે કામનું હોય તો સાંભળવું. ના કામનું હોય તો ‘તમારી વાત ખરી છે, હવે અમે ચેતવણી લઈશું’, કહીએ. એટલે પછી આગળની વાત કરે અને જે દેખાય છે ને, અવસ્થા-પર્યાયો તે તમને ખબર આપે છે. ‘આમ થશે તો, આમ થશે તો.’ એમાં આપણને શું વાંધો છે? વ્યવસ્થિત છે તે આપણે જાણીએ છીએ. પછી એ કહે, પછી આગળની વાત કરે. એને એવું નથી કે એની એ જ વાતો કર્યા કરે. ફક્ત અજ્ઞાન હતું ત્યાં સુધી મનમાં તન્મયાકાર થઈ જતા હતા, ત્યારે પોતે દુઃખને પામતા હતા.

મનને ખસેડવાની જરૂર નથી, મારવાનીયે જરૂર નથી. કોઈને મારશો અને તમે મોક્ષે જશો એ ક્યારેય નહીં બને. મનને કહીએ, ‘તું તારી મેળે જીવ.’ અમે અમારી જગ્યાએ અમારા સ્થાનમાં છીએ, તું તારા સ્થાનમાં છે.

શક્તિ મેળવવી, વાતચીતના પ્રયોગે

પ્રશ્નકર્તા : આપે બહુ વર્ષો પહેલા કહેલું કે જાત જોડે વાતચીત કરજો ! બહુ શક્તિ વધી જશે. તે એ વાતચીતનો પ્રયોગ બહુ ઊંચામાં ઊંચી વસ્તુ છે, તો એ મન જોડે વાતચીત કેવી રીતે કરવાની?

દાદાશ્રી : એ તો આપણે અરીસામાં જોઈને વાત કરીએ તો થાય આમ ! મનને કહીએ, ‘અમે તારામાં ડખલ નહીં કરીએ, તું અમારામાં ડખલ ના કરીશ.’ પછી કો’ક દહાડો મન કહેશે, ‘અમારામાં કેમ ડખલ કરો છો ?’ ત્યારે આપણે કહીએ, ‘હવે તારામાં ડખલ નહીં કરીએ એટલે અમારામાં ડખલ ના કરીશ.’ કેટલા ભાગીદારોના તોફાન છે આ બધા તો, પણ શુદ્ધાત્મા હાથમાં આવી ગયો અને પાંચ વાક્યો (આજ્ઞાઓ), એટલે બસ થઈ ગયું.

ગમતા વિચારો ગમે છે કોને ?

પ્રશ્નકર્તા : વિચારો આવતા હોય અને ગમતા હોય તો ?

દાદાશ્રી : એ જો ગમતા હોય તેનો વાંધો નથી પણ ગમતો હોય તો કોને ગમે છે ? રિયલને ગમે છે કે રિલેટિવને ગમે છે ?

પ્રશ્નકર્તા : રિલેટિવને ગમે છે.

દાદાશ્રી : એ માલ વધારે ભરેલો એટલે ગમે. માલ ઓછો ભરેલો એટલે બહુ ના ગમે. એ માલ ઉપર આધાર રાખે છે. એ ધ્યેયને નુકસાન કરે એવું નથી. તમારી જાગૃતિ તૂટી જાય છે કે આ મને થાય છે કે કોને થાય છે ? આપણે તો જાગૃતિ જોવા માગીએ છીએ કે બહુ વિચાર આવે પણ તે ચંદુભાઈના છે, તમારે લેવાદેવા નહીં. વધુ માલ છે તે ટાંકી ખાલી થતાં વાર લાગશે. ટાંકી ખાલી થવાની હોય તે, એમાં ડામરવાળો વધારે માલ નીકળે તો ? ડામરવાળો માલ વધારે હોય તો વધારે નીકળે અને કોઈએ સેન્ટ (અત્તર) ભરેલું હોય તો તેય નીકળે. પણ છેવટે બેય નીકળી જ જવાનું છે ને! નીકળ્યા પછી બધું સરખું જ ને ? કે એમાં ફેરફાર હોય ?

પ્રશ્નકર્તા : સરખું.

દાદાશ્રી : હંઅ, સેન્ટવાળાનું નાકને જરા સારું લાગે અને પેલું નાકને ના ગમે. પણ તેય છે તે નાકનું ને, તેય ચંદુભાઈનું ને, તમારું નહીંને? આ સમજી ગયાને ?

સારા વિચાર આવે છે, એ મન વિચાર કરે છે ને તમે ચોંટી પડો છો કે ‘મને વિચાર આવ્યા, મને વિચાર આવ્યા!’ ન્હોય તારા, આ તો મનના છે.

આપણે તો સારા આવે છે કે ખોટા આવે છે, બેઉ વોસરાવી દીધું. આપણે ને એને લેવાદેવા નહીં. વિચાર તો શું ના આવે ? જરાક તબિયત નરમ થઈ ત્યારે કહેશે, મરી જવાશે કે શું ? એય વિચાર આવે. આવે કે ના આવે ? એ બધા વોસરાવી દેવાના.

માંદા પડ્યા હોય ને, તો મહીં એમ ચેતવેય ખરું કે ‘મરી જવાશે તો ?’ ત્યારે આપણે કહીએ કે ‘ભાઈ, હા. અમેય હવે બરોબર રેગ્યુલર (નિયમિત) રહીશું એ બાબતમાં. હવે બીજી વાત કરો.’ પછી મન બીજી વાત કરે. પણ આ અજ્ઞાની મનુષ્યોનો સ્વભાવ કેવો ? મનને જે વિચાર આવ્યો તેની મહીં તન્મયાકાર થઈ જાય. એટલે પછી આગળની વાત કહેવાની રહી ગઈ, બધું એમાં ડૂબી મરે. અજ્ઞાનતા શું ના કરે? તન્મયાકાર થઈ જાય. એ કહેતા પહેલા જ તન્મયાકાર થઈ જાય.

જાણો તન્મયાકાર થયા વગર

શાના શાના વિચાર આવે છે, એ ખબર પડે આપણને. મહીં મન બગડે કે ‘આજે તમારા સાસુ મરી જાય તો શું થાય ?’ ત્યારે કહીએ, ‘સમજી ગયા અમે.’ પછી કહે, ‘તમારું મોત થાય તો શું થાય?’ ત્યારે કહે, ‘એય સમજી ગયા. હવે ત્રીજી વાત કર આગળ.’ પાછું એવું હઉ બતાડે કે ‘કાલે મરી જઈએ તો આ બધાનું શું થાય ?’ ત્યારે આપણે કહીએ, ‘એ અમે નોંધ્યું.’

અરે, આટલી મોટી ઉંમરેય શાદી કરવાની વાત કરે એવું આ મનનું, ક્યારે કેવું કહે એ કહેવાય નહીં. પણ તે આપણે આમાં સાંભળીને કંઈ ગુસ્સે થવાની જરૂર શું ? રાંડવાનું હઉ કહે, ‘રંડાપો આવશે તો શું કરીશું ?’ ત્યારે કહીએ, ‘ભઈ, રાંડ્યા ચાલને. હવે આગળની બીજી વાત કરને !’

ભરેલો માલ થઈ રહ્યો ખાલી

વિચારનો કંટ્રોલ કોઈ દહાડો થઈ શકે નહીં. એટલે વિચારના તો જ્ઞાતા-દ્રષ્ટા રહેવું જોઈએ કે મહીં શું વિચાર આવે છે. કારણ કે અજ્ઞાનીને સંકલ્પ-વિકલ્પ રૂપે થાય અને જ્ઞાનીને એનાથી ઊલટું રહે. વિચારો ખરી રીતે વિચારો કહેવાતા જ નથી, એ છે તો એક્ઝોસ્ટ થયા કરે છે. મન એ કોઠી ફૂટે એમ ફૂટ્યા કરે છે ને મહીં જાત જાતના ઝળકાટ થાય છે, તેને જોવાનું. પોતે જ માલ ભરેલો. આ શું ફૂટ્યું? આ જે માલ ભરેલો ફૂટે એ બુદ્ધિ વાંચી શકે કે આ શું છે. પછી તરત જ બુદ્ધિ કહે કે આ તો ખરાબ વિચાર આવે છે કાં તો સારા વિચાર આવે છે. ખરાબ વિચાર આવે ત્યારે છેટો રહે, અળગો રહે. એટલે જો કોઈ મને કહે કે ‘દાદા, બહુ ખરાબ વિચાર આવે છે.’ મેં કહ્યું, ‘આવે છે તો છો ને આવે. તું જો ને છાનોમાનો; જતાં રહેશે, એટલે ખલાસ થઈ જશે.’ ખાલી થવા માંડેલું કંઈ ભરાય નહીં. એ ગભરાવાનું શું કારણ છે ?

વિચાર તો આવે. વિચારને જોયા કરવાના, જાણ્યા કરવાના. ઓહોહો! આવા આવા વિચાર આવે છે ! માટે માલ હજુ વધારે ભરેલો છે. થોડા વિચાર આવે તો તે માલ ઓછો ભરેલો હોય.

મન જ્ઞેય છે ને આપણે જ્ઞાતા

આ વિચારો આવ્યા કરે. વિચારો જ્ઞેય છે ને આપણે જ્ઞાતા છીએ. એ જ્ઞેય-જ્ઞાતાનો સંબંધ રાખવો જોઈએ. એ ચૂકવું ના જોઈએ. ગમે તે જાતના વિચાર આવે, મરણના હઉ આવે, આપણું મરણ થયું, એ દેખાડે હઉ પાછું.

પ્રશ્નકર્તા : મરણનો વિચાર આવે એનો અર્થ શું ?

દાદાશ્રી : કશો અર્થ નહીં. એ એનો સ્વભાવ બધો બતાવ્યા કરે, મિનિંગલેસ (અર્થ વગરનું). મનનું બધું જ મિનિંગલેસ છે. એ ડિસ્ચાર્જ થતી વસ્તુ છે. એમાં ચાર્જ હોય એ મિનિંગવાળું, ડિસ્ચાર્જ એ બધું મિનિંગલેસ.

પ્રશ્નકર્તા : મન જ્યારે મિનિંગલેસ વાત પર ચઢી ગયું હોય તો શું કરવું જોઈએ ?

દાદાશ્રી : ‘એય, હું તને ઓળખી ગયો છું. તું જ્ઞેય છે ને હું જ્ઞાતા છું.’ તો એ બંધ થઈ જાય. એ જ્ઞેય જ છે અને આપણે જ્ઞાતા છીએ. આપણે એની પાછળ ક્યાં રખડ રખડ કરીએ ? એને તો કુટેવ પડેલી. જ્ઞેય-જ્ઞાતા કહ્યું એટલે છૂટી ગયું. એટલે મહીં ઉછાળા મારે તો આપણે જાણ્યા કરવું ને કહેવુંય ખરું (મનને) ‘તું જ્ઞેય છે ને હું જ્ઞાતા છું.’ તારે જ્યાં જ્યાં ફરવું હોય ત્યાં ફર.

વિચારોને જે જાણે તે આત્મા

પ્રશ્નકર્તા : હું પતંગ ઉડાવું છું એવો મને વિચાર આવ્યો, એ ‘મને વિચાર આવ્યો’ એમ મેં જોયો. એ મેં જોયું એ પણ જ્ઞાતા-દ્રષ્ટા કહેવાય ?

દાદાશ્રી : આમાં જ્ઞાતા-દ્રષ્ટા હોય નહીં. આ તો ચંદુભાઈ શું કરે છે તેને જુએ. ચંદુભાઈને વિચાર આવ્યો ને એણે જોયું, એ ‘આપણે’ જાણીએ, તો શુદ્ધ ઉપયોગ કહેવાય. આપણને બધું દેખાવું જોઈએ કે આમને આવો વિચારેય આવ્યો અને જોયો ખરો, એ આપણને દેખાય. ‘આપણે’ શુદ્ધાત્મા થયા. પહેલાં તો હું જ છું, મને જ વિચાર આવે છે, એવું બોલતા હતા. તેથી તન્મયાકાર થઈ જતા હતા. હવે આત્માને વિચાર આવતા જ નથી. વિચારને જે જાણે છે તે આત્મા છે.

મનનું કશું માનવાનું નહીં. મન જ્ઞેય છે ને આપણે જ્ઞાતા. એટલે જ્ઞેય-જ્ઞાતાનો સંબંધ એટલે શું? એ જોવાનું. કૂદાકૂદ કરતું હોય કે સારું વિચારતું હોય કે ખરાબ વિચારતું હોય, તે આપણે જોયા કરવાનું. એટલે આપણે એમાં તન્મયાકાર નહીં થવાનું. અજ્ઞાન દશામાં તન્મયાકાર થતા હતા. હવે તન્મયાકાર નહીં થવાનું. એટલે આ જ્ઞાનની મુખ્ય વસ્તુ એ છે કે તે કાચું ના પડી જાય આમાંથી. વિજ્ઞાન ખરુંને ? આમાં ભૂલચૂક ના થવી જોઈએ. મનનું ખાસ ભૂલ ના થાય એવું કરજો. બીજું બધું થયું હશે, તે પાછું સુધારી આપું.

નચાય નહીં મનના કહ્યા પ્રમાણે

આ અમે સાંતાક્રુઝથી અહીં આગળ ટેક્ષીમાં આવતા હોય ને કોઈ જગ્યાએ કોઈ ગાડીઓની અથડામણ થયેલી હોય ને, તો અમારું મનેય કહે કે ‘આગળ એક્સિડન્ટ થાય એવું છે.’ ત્યારે મેં કહ્યું, ‘ભઈ, અમે નોંધ લીધી. તારી વાત બરોબર છે. અમારે જાગૃત રહેવું જોઈએ.’ પછી બીજો વિચાર આવે કે ‘એવું કશું નથી કે જે તમને એક્સિડન્ટ કરાવે.’ ત્યારે આપણે એમ કહેવું કે ‘એ અમે નોંધ કરી.’ પછી આગળ બીજી વાત કરે. એને એવું કશું નથી કે તમને મારવા જ છે. મનનો એવો સ્વભાવ નથી કે એક જ વાત ઉપર બેસી રહે. અને આપણે કહીએ કે ‘ના, તારું કહેવું ખરું છે. હવે શું થશે ?’ તો પછી કલાકો સુધી ચાલ્યા કરે.

તન્મયાકાર થઈએ એટલે ડૂબ્યા

પ્રશ્નકર્તા : પણ એ જે તમને ઇન્ફોર્મ કર્યું (જણાવ્યું) જેણે, કે એક્સિડન્ટ થાય એવું છે, એ મન બોલે છે ? એ મન બોલ્યું ?

દાદાશ્રી : એ મન બોલ્યું અને પછી આપણે એક્સેપ્ટ (કબૂલ) કરીએ કે ભઈ, તારું કહેવું બરોબર છે. એટલે પછી આગળની વાત કરે. આગળ પછી સત્સંગની વાત કરે. એને એવું નથી કે આ તમને ગમતું નથી. એ તો એને જેવું દેખાય એવું બોલી જાય. એટલે આ બધું સરકમસ્ટેન્શિયલ એવિડન્સ (સંયોગી પુરાવા) છે. એટલે એની આપણે નોંધ લેવી જોઈએ. એ ભડકાવે ને આપણે ભડકીએ તો પછી ખલાસ થઈ ગયું ને ! એ તમને ભડકાવવા નથી કરતું. એ તો તમે ચેતો, બીવેર (ચેતો), એમ કહે છે. અમે એવું બીએ નહીં. અજ્ઞાનીને બીવડાવી મારે. ‘એક્સિડન્ટ થશે તો,’ તેટલો વખત તન્મયાકાર થઈ જાય.

ફરજથી બંધાયેલું નિર્દોષ મન

કોઈક જગ્યાએ એક્સિડન્ટ થયેલા હોય, એવી જગ્યાએથી જવાનું થયું તો ત્યાં મન આપણને કહેશે કે ‘એક્સિડન્ટ થશે તો ?’ તો આપણે જાણવું કે અત્યારે મન-રડાર આવું બતાડે છે. એટલે ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું’ એમ આપણે શુદ્ધાત્મામાં પેસી જવું અંદર. પછી એવી જગ્યા જતી રહે ત્યારે પછી આપણે બહાર નીકળવું. અગર તો બહાર ભય જેવું હોય તો આપણે શુદ્ધાત્માની ગુફામાં પેસી જવું. અને તે વખતે એક્સિડન્ટ થઈ ગયો તો આપણે શુદ્ધાત્મામાં રહ્યા એટલે બીજું નુકસાન જ નહીં ને! અને મન બીજું કશું કરતું નથી, દેખાડે જ છે, એમાં આપણને શું નુકસાન? આ જગતના લોકોને શું થાય ? એક્સિડન્ટ થશે કહ્યું તે સાથે પોતે તન્મયાકાર. તે એ જ પોતે એક્સિડન્ટ જેવો થઈ જાય. આપણે આત્મા જુદો પાડ્યો એટલે તન્મયાકાર ના થાય. આપણે એના જ્ઞાતા-દ્રષ્ટા જ છીએ. પણ (મન રૂપી) રડાર જો કહે તો આપણે શુદ્ધાત્માની ગુફામાં પેસી જવું.

પ્રશ્નકર્તા : આ મન જ્યારે કહે છે, ત્યારે પર્યાય એનાં કંઈક હોય તો જ કહે ને ?

દાદાશ્રી : તમને ચેતવણી આપે છે અને જેવી લાગે એવી દેખાડે છે તમને, એમાં એનો ગુનો શો બિચારાનો ? એને એવા સંજોગો લાગે ને, તેથી આપણને ચેતવે છે. નહીં તો બોલે નહીં પણ સંજોગો બધા જેવા દેખાય છે તેવા નથી હોતા. પણ એને તો પોતાને જેવું દેખાય છે તેવું કહી દે. એ એની ફરજ છે. મન ડ્યુટી બાઉન્ડ (ફરજથી બંધાયેલું) છે. એટલે રડાર તો જોઈએ જ ને ! ત્યારે લોકોને આ રડાર કાઢી નાખવું છે. અલ્યા, માઈન્ડ વગર તો કેમ ચાલે ? માઈન્ડ તો જોઈએ જ. એ ભય સૂચવે અગર તો આનંદની જગ્યા હોય તો ત્યાંય એ દેખાડે કે બહુસરસ, આનંદની જગ્યા છે. એટલે એ રડારનું કામ કરે છે.

જગતના લોકો શું કહે છે, આવો ભય ના બતાવશો. એમને મન ભય બતાડે તે નથી ગમતું. પણ આપણને ભય બતાડે તો શુદ્ધાત્મામાં પેસી જવું.

ઉપાય નહીં ત્યાં ચિતરામણ શાને ?

જેનો ઉપાય ના હોય તે બાજુ મન બંધ કરીદેવું, રેડ સિગ્નલ(લાલબત્તી) ! આ લડંલડા કરે છે, એનો ઉપાય છે કશો ? અને મનમાં ‘આમ કરીએ ને તેમ કરીએ ને ફલાણું કરીએ’ બધું ચિતર્યા જ કરતો હોય.

પ્રશ્નકર્તા : એ ચિતરામણ અત્યારે તો તકલીફ આપે પણ આવતા ભવે પાછું બગડે ને?

દાદાશ્રી : અરે, આ ભવમાં જ બગડ્યું, ત્યાં પછી આવતા ભવે શી રીતે સુધરે ? આ ભવમાં જ ચિતરામણ બગાડ્યું એણે. એટલે જગત આખુંય જ્યાં ઉપાય નથી ત્યાં આગળ ચિતરામણ કરે છે. એકનો એક છોકરો મરી ગયો ત્યાંય બિનજરૂરી ચિતરામણ બધુંય ! ખોટ ગઈ, એનો ઉપાય કોઈ જાતનો નથી તોય બિનજરૂરી ચિતરામણ! કંઈનું કંઈ કર્યા કરે. તમારે ત્યાં ના કરે ?

પ્રશ્નકર્તા : કરે ને, બધાય કરે.

દાદાશ્રી : કોઈ ગામમાં એકુંય ડાહ્યો માણસ એવો ના હોય કે ચિતરામણ બંધ કરી દે. એટલે જેનો ઉપાય નથી ત્યાં રેડ સિગ્નલ મારી દેવું.

મહીં પેસેલા વિચારોનું જોખમ

મહીં કોઇ અવળો વિચાર આવે તો તેને પેસવા જ ના દેવો, નહીં તો ઘર કરી જાય. આ ઑફિસમાં ચોર જેવો કોઇ આવે, તે એને પૂછીએ કે ‘તું કોણ છે? તારો વ્યવસાય શો છે ?’ આ તો એને પેસવા જ ના દેવાય. આ તો કોઇને લકવો થયો હોય તો તેને જોઇ આવીએ ને પછી વિચાર આવે કે આપણને આમ લકવો થશે તો ? એ અવળા વિચાર કહેવાય. એને પેસવા જ ના દેવાય. આ ‘આપણી’ સ્વતંત્ર રૂમમાં કોઇને પેસવા ના દેવાય. પેસવા દેવું એ જોખમકારી છે, એનાથી તો સંસાર ઊભો છે. અનંત પ્રકારના વિચાર આવે તો કહી દઇએ કે ‘ગેટ આઉટ (બહાર નીકળો).’ ‘દાદા’નું નામ દેવાનું, તે અટકી જાય. આ બહારવટિયા રાત્રે બૂમ પાડે તો શું રાત જતી નથી રહેવાની ? આ તો ટેમ્પરરી (થોડા વખત માટે) છે, રાત વીતી જવાની છે. આપણે તો અનંત શક્તિવાળા છીએ.

અટાવી-પટાવી સમજાવો મનને

આ તો ખાલી મહીં મન છે ને, તે ટિમિડતાવાળું (બીકણ) હોય. અમથું જ બૂમાબૂમ કરી મેલે કે ‘એ આવ્યા, એ આવ્યા.’ ત્યારે કહીએ, ‘ભઈ, આવવા દેને, અમે આ બાજુ જઈએ છીએ. તું શું કરવા બૂમાબૂમ કરે છે.’ પછી પાછું સત્સંગની વાત કાઢે. પછી એ વાતને પકડી રાખે એવું કશું નથી. આપણેવાંકા છીએ. આપણે ભડકી જઈએ છીએ ને, પછી પેલું મન ખસતું નથી. એને સમજાવીએ એટલે પછી ભડકે નહીં.

મનનો સ્વભાવ કેવો છે ? સીધું વળે નહીં ને જો પટાવી-સમજાવીને વાળે તો વળ્યા પછી ત્યાંથી ખસે નહીં, પાછું ફરે નહીં. તેથી આ નાના બાબા-બેબીનેસારા સંસ્કાર પાડવાં, તો પછી એ સારા સંસ્કાર જાય નહીં.

ટેવાયેલા મનને વાળો વાતચીતથી

પ્રશ્નકર્તા : ઇચ્છા ના હોય છતાંયે સાંસારિક વિચાર આવતા હોય ત્યાં શું કરવાનું ?

દાદાશ્રી : આવતા હોય તો એમને કહીએ, ‘ટાઈમ થઈ ગયો છે, ગેટ આઉટ. હવે અમારા દવાખાનાનો ટાઈમ થઈ ગયો છે. માટે હવે તમે બહાર જતા રહો.’

પ્રશ્નકર્તા : તમે કહો ગેટ આઉટ, તોય બનતું નથી.

દાદાશ્રી : એ એક ફેરો ના પતે, પાંચ-પચાસ વખત, સો વખત કહો, ત્યાર પછી બંધ થઈ જાય. ઘણા કાળનું ટેવાયેલું એકદમ જાય નહીં.

ડૉક્ટરોય નક્કી કરે છે ને કે ‘બે થી પાંચ સુધી કોઈએ આવવું નહીં.’ તે ત્યાં સુધી બધા બહાર ઊભા રહે. તમારે તો બધી છૂટ રાખી છે ને! વિચારને ‘જ્યારે આવવું હોય ત્યારે આવજે’ કહ્યું છે ને ! સત્સંગ કરતા હોય ત્યારે આવજો, કહીએ તો શું થાય? આ તો ટાઈમ બગડે, બધું બગડેને? અને તે વખતે તમને વિચાર મહીં આનંદવાળા આવે કે તરંગો બધા આવે ? ત્યારે એમાં શું લાભ થયો ?

મન પાસે કામ કરાવવાની કળા

પ્રશ્નકર્તા : આ મનને જો છતું જ્ઞાન બતાડી દઈએ તો પછી એ બૂમ ના પાડે ને ?

દાદાશ્રી : હા, એ મનને સમજાવતા ‘આપણને’ આવડવું જોઈએ. મને તો ગોળીઓ આપતા હઉ આવડતી હતી. એમ એની પાસે કામ કરાવી લેતો.

પ્રશ્નકર્તા : ક્યારે ? જ્ઞાન પહેલા ?

દાદાશ્રી : હા, ગોળીઓ આપીને કામ કરાવી લેતો.

પ્રશ્નકર્તા : એ કેવી રીતે ?

દાદાશ્રી : એને ભાવતી ચીજ આપીએ અને આપણું કામ કરાવી લઈએ. આટલું મારું કહ્યું કરું, આ પ્રમાણે ચાલું તો આ આપીએ. ત્યારે એ ખુશ! બે આઈસ્ક્રીમની ડિશો ખવડાવી દઈએ, એટલે એ પછી આખો દહાડો કામ કરે. એને આઈસ્ક્રીમ ભાવતો હોય તો, ના ભાવતું હોય તો ના કરે.

પ્રશ્નકર્તા : આપને શું ભાવતું હતું ?

દાદાશ્રી : મને તો બધુંય ભાવતું હતું. શું નહોતું ભાવતું ?

પ્રશ્નકર્તા : તમે મનને લોલીપોપમાં શું આપતા હતા ?

દાદાશ્રી : એને કંઈ અપાવી દઈએ. હોટલમાં કંઈ સારો નાસ્તો હોય, સારી વાનગી હોય, ખાસ તીખી વાનગી વધારે ભાવે.

તે મોટી હોટલમાં, સારી હોટલમાં એકાદ ડિશ ખવડાવી દઈએ, એટલે બસ થઈ ગયું ! ભયો ભયો થઈ ગયો ! તરણતારણ થઈ ગયા જાણે! જીભ તો લપ લપ લપે ને બધાયની ! અને જવાનીમાં ખાસ લપલપે. ઘૈડપણમાં જરા ઢીલી પડી જાય.

પ્રશ્નકર્તા : ના, પણ ખવડાવવાનો પ્રયોગ કરવો પડે કે સમજણનો પ્રયોગ કરવો પડે ?

દાદાશ્રી : ખવડાવીએ એટલે ખુશ થઈ જાય. આપણે એને શર્ત કરીએ કે ભઈ, આટલું કરી આપું તો આ ચીજ લઈ આવીએ આપણે જઈને. અને એ કરાવવા મારે બે-ત્રણ દહાડા પહેલેથી તે આપવાનું બંધ કર્યું હોય અને તું આ કરું તો જ તને આ ખવડાવીએ ચાલ. એટલે પેલો બે-ત્રણ દહાડાથી બંધ હોય એટલે કરી નાખે બધું. આ અંદર મન ફિઝિકલ ખરું પણ એ જીવતાં જેવું છે. પાવરવાળું તો છે જ. આમ મરી ગયેલું છે, પણ આપણે કહેવાની જરૂર એને. તે લોક રાતે બુદ્ધિને કહે છે ને, કે આજનો દહાડો તું આવીશ નહીં. કાલે બપોરે જમવા આવજે. તે એ કહે છે, તે એવું બને છે પણ પાછું.

પ્રયોગ, મનના સવાર થવાનો

પ્રશ્નકર્તા : પણ દર વખતે ખવડાવવાના પ્રયોગ સિવાય પેલું સમજણનો પ્રયોગ કર્યો હશેને, મનની જોડે સમજણ પાડીને દિશા ફેરવી નાખવાની ?

દાદાશ્રી : પણ આપણે જાણીએ નહીં કે આ લાલચુ શામાં છે તે?

પ્રશ્નકર્તા : હા, એ તો ખબર પડે.

દાદાશ્રી : એટલે લાલચોમાં ઘાલી દઈએ એટલે આવડ્યું.

પ્રશ્નકર્તા : એટલે આ પ્રયોગ પહેલા કરેલા ?

દાદાશ્રી : આવા બધા બહુ પ્રયોગ કરેલા.

પ્રશ્નકર્તા : બીજા કયા ?

દાદાશ્રી : બીજા તો આમ રાત્રે કશું આવ્યું હોય તે ઊંઘવા ના દે. એટલે મેં કહ્યું, સારું હવે તું છું ને હું છું ચાલ. તે એની પર બેસી જઉં. એ દોડે ને હું સવાર. દોડ, દોડ, દોડ કરાવું ને થકવી નાખું. એટલે એ ઊંઘી જાય તો મને ઊંઘ આવી જાય. પણ હું લાલચ રાખું કે ભઈ, ઊંઘવા દે ને, ઊંઘવા દે ને ! એટલે ઊંઘવા દેતું હશે ? એ તો થકવીએ ત્યારે ઠેકાણે આવે. થાકી જાય એ. ‘ચાલ, દોડ !’ દોડ, દોડ, દોડ કરાવું. તેં થકવ્યું નહીં કોઈ દહાડોય ? મેં તો બધા બહુ પ્રયોગ કર્યા’તા અને બધાય પ્રયોગો સફળ થઈ પડ્યા.

ધ્યેય નક્કી કરી તે બાજુ વાળો મન

મન કંઈ ખોટું નથી. મનને કરવાનું શું છે એ આપણે જાણવાની જરૂર છે. મન તો તમારે એક ધ્યેય નક્કી કરવો જોઈએ કે ‘મારે જવું છે.’ મન સાચા રસ્તા પર હોય તો મનના કહ્યા પ્રમાણે ચાલવું અને મન ઊંધે રસ્તે લઈ જતું હોય પછી આપણે એને મારી-ઠોકીને આપણા ધ્યેય તરફ લઈ જવાનું. ક્યાં જવું એ આપણે જોવાનું છે. આપણે શું ધ્યેય છે એ નક્કી કરવું જોઈએ. આપણે ક્યાં જવું છે એ નક્કી કરવું જોઈએ કે ના કરવું જોઈએ?

પ્રશ્નકર્તા : ધ્યેય પ્રમાણે મન જાય છે ને, એ બધું હવે દેખાય છે. આટલું મન ધ્યેય પ્રમાણે ગયું, આટલું મન ધ્યેય વિરુદ્ધ ગયું એ એને દેખાય છે.

દાદાશ્રી : ધ્યેય પ્રમાણે જ ચલાવવું.

પ્રશ્નકર્તા : મનને એકલાને જ સાચવવાનું છે?

દાદાશ્રી : મન આપણા ધાર્યા પ્રમાણે જતું હોય ત્યાં સુધી જાય અને આપણા ધાર્યાથી ફેરફાર થાય તો ફેરવી નાખવું કે એય એ બાજુ નહીં જવાનું.

મનને ચંપે ના ચઢાવશો

પ્રશ્નકર્તા : મનનો નિરોધ કરવાનું કહ્યું છે, એ જરાક સમજાવશો.

દાદાશ્રી : મનને નિરોધ કરવા તો શું કરવાનું કહ્યું છે કે ચંપે ના ચઢવા દેશો. ના સમજ પડી? આપણી ગુજરાતી ભાષામાં એવું કહે છે, ‘અલ્યા, મનને ચંપે શું કરવા ચઢાવે છે ?’ ‘ચંપે ના ચઢાવશો’ એટલે શું કે કોઈ જગ્યાએ આઈસ્ક્રીમ ખાધો તો મન તો પછી કહેશે, ‘આ તો બહુ સારી ચીજ છે.’ સારું બોલ્યા તે મન ચંપે ચઢ્યા કરે. પછી હેવમોર (આઈસ્ક્રીમ)ની દુકાનમાં પેસેને, પછી પાછું ખાય. મૂઆ, કોઈ દહાડો આ ખાવા જેવી ચીજ નથી. મનને ચંપે ના ચઢાવીશ. એ ત્યાં નિરોધ કરવાનું. એમ ને એમ નિરોધ કરવાનું નથી. આ બધું બીજું ભૂત પેસી ના જાય એટલું જ. આપણે બિનજરૂરિયાત ચીજો ન પેસી જાય, એને માટે જ નિરોધ કરવાનું છે. સીગરેટ કો’કે જબરજસ્તીથી પાઈ તે ઘડીએ ‘સારી છે’ એવું ન બોલવું આપણે. સારી લાગી હોય તોય આપણે કહીએ કે આ તો ‘ચીજ ખરાબ છે’ એવું પાંચ વખત બોલોને, તો એ વસ્તુ નહીં અડે તમને. આ વસ્તુનો, ચીજનો સ્વભાવ એવો છે કે જો તમે ખરાબ બોલો તો અડે નહીં. સારી બોલો તો ચોંટ્યા વગર રહે નહીં. આ જડ વસ્તુનો સ્વભાવ છે એવો. એ પણ આટલું બધું માન રાખે છે.

પ્રશ્નકર્તા : એનું પણ ઇન્સલ્ટ (અપમાન) કરવું જોઈએ. મનનું પણ અપમાન કરવું જોઈએ કે આ નથી સારી.

દાદાશ્રી : હા, તમે ઇન્સલ્ટ કરો. પછી ખસી ગયા પછી તમારે એમ કહેવું, આપણને અડતું ના હોય ત્યાર પછી કહેવું કે ‘મેં આજ ઇન્સલ્ટ કર્યું હતું પણ તમારી માફી માગું છું. હવે ફરી નહીં કરું ઇન્સલ્ટ.’ ફરી જમે કરી દેવડાવવું. હા, નહીં તો એ દરેક ક્લેઈમ (દાવો) રાખે છે પોતે.

જો આ પેલા ભગતો છે ને, એમના ગુરુએ શીખવાડ્યું કે બજારની કોઈ ચીજ ખવાય નહીં આપણાથી. પાણી પણ ના પીવાય. જો એવું રહે છે ને પણ ! અને આપણા લોકોને કહ્યું કે આમ બધુંય ખવાય, તો એવું થઈ જાય. એટલે તમારે નિરોધ કરવાનો એટલે શું? હિતાહિતના સાધનમાં એને નિરોધ રાખો. એને વહેતું ના મૂકો. ચંપે ના ચઢવા દો.

જરૂર પડે ઠપકારો મનને

મનને ઠપકો આપે છે? સવારથી કશું કહે છે? બે-ચાર ઠપકા આપે છે ?

પ્રશ્નકર્તા : અવળો વિચાર આવે એટલે તરત કહું કે આ બરાબર નથી, પણ ઠપકો આપવો એવું નથી કરતો.

દાદાશ્રી : બે-ચાર વખત ઠપકો ને બધું આપવું જોઈએ. આમ ખભો થાબડવો જોઈએ કે અમે છીએ, તમારી જોડે. આ તો નાની ઉંમર છે, બધું રાગે થઈ જાય. પછી પાછળથી તો કઠણ પડી જાય.

બ્રહ્મચારી, મનના કહે ના ચાલે

પ્રશ્નકર્તા : બે-ત્રણ દિવસથી મને પતંગ ચગાવવાનું બહુ મન થાય છે, તો તે નહીં ચગાવવી?

દાદાશ્રી : ચગાવવીને !

પ્રશ્નકર્તા : તો એ મનના કહ્યા પ્રમાણે જ થયુંને ?

દાદાશ્રી : કરવું ખરું એના કહ્યા પ્રમાણે, પણ જોડે જોડે મનને કહેવાનું કે ‘ભઈ, ના ગમતુંય કરવું પડશે, તારે. તને ના ગમતું હોય તેય કરવું પડશે, તો તારું ગમતું કરું.’ નહીં તો હું તને કાઢી મૂકીશ, એવી શરત લગાવવી એની જોડે.

પ્રશ્નકર્તા : એક બાજુ તમે ગમતું કરવાનું કહો છો અને બીજી બાજુ ના ગમતું કરવાનું કહો છો.

દાદાશ્રી : આ પતંગ ચગાવવાની ઇચ્છા થાય એ ક્યારે બ્રહ્મચર્ય પાળી શકે ? આવા માણસને પેસવા દેવાતા હશે કંઈ ?

પ્રશ્નકર્તા : મેં રાત્રે નક્કી કરેલું કે હવે આપણે પતંગ નથી ચગાવવી અને સવારે ઊઠ્યો ત્યારથી જ મહીં થયા કરે કે ‘ચગાવવી તો જોઈએ જ ને !’

દાદાશ્રી : તે તો વળી બ્રહ્મચર્ય ક્યારે પળાય? પીસ્તાલીસ વર્ષ પછી કહેશે કે ‘હવે મારે પૈણવું છે.’ તો ત્યારે વહુ ના મળે. રાહ જોઈએ તોય ના મળે. એટલે નિશ્ચયબળ જોઈએ.

પતંગની બાબતમાં તો બે મહિનાથી મન પાછળ નથી પડ્યું ને? કેટલા કલાકથી પાછળ પડ્યું હતું ?

પ્રશ્નકર્તા : ચાર-પાંચ કલાકથી.

દાદાશ્રી : તે ચાર-પાંચ કલાક પર જ ઢીલું થઈ ગયું, તો છ મહિના સુધી પાછળ પડશે, ‘પૈણો, પૈણો.’ તે એમાં પુરાવા સહિત દેખાડશે બધું. તો શું થાય પછી? મન કહેશે, પતંગ ઉડાડો, એટલે પતંગ ઉડાડે. થોડીવાર પછી મન કહેશે કે બ્રહ્મચર્ય પાળ ! અલ્યા, બ્રહ્મચર્ય તો નિશ્ચયવાળાનું કામ છે. એ તો પુરુષાર્થી માણસ, પુરુષ થયેલો હોય ! આ પ્યાદાનું શું કામ છે તે?

આપણું આજનું જ્ઞાન બ્રહ્મચર્ય પાળવાનું હોય અને ગયા વખતનું જ્ઞાન બ્રહ્મચર્ય પાળવાની હા પાડે. છ મહિના પછી પાછું નવી જ જાતનું બોલે કે ‘પૈણવું જોઈએ’. એવું મનની સ્થિતિ એક ના હોય કોઈ દહાડોય, ડામાડોળ હોય, વિરોધાભાસવાળી હોય.

પ્રશ્નકર્તા : છ મહિના પછી મન પૈણવાનું બતાવે, જુદું જુદું બતાવે, તો અમુક સમય આવો જ્ઞાનમાં જાય તો પછી મન એકધારું બતાવતું થઈ જાયને ? પછી આડુંઅવળું બતાવતું બંધ ના થઈ જાય?

દાદાશ્રી : ના, એવું ના થાય. ઘૈડો થાય તોય પૈણવાનું કહેને! પોતે મનને કહેય ખરો કે ‘આ ઉંમર થઈ, છાનું બેસ !’ એટલે મનનું ઠેકાણું નથી એમ સમજીને મનમાં ભળવાનું જ નહીં. આપણા અભિપ્રાયને માફક હોય એટલું મન એક્સેપ્ટેડ (સ્વીકાર્ય).

એ જો પતંગોમાં સો રૂપિયા ખર્ચાતા હોય, તો આઠ પુસ્તકો ના આપણે છપાવીએ ? લોકોને હિતકારી થઈ પડે. પેલું કંઈ આવશ્યક છે? એના વગર મરી જવાય? મરી જવાય એ જ ચીજ કરવી પડે અને છતાંય કહેશે, ‘મને હજુ ખાવાનો શોખ રહી ગયો છે’ તો હું કહું કે છો રહ્યો. તેથી સંતોષ થાય છે, એક જાતનો. શરીરનેય પણ સંતોષ થાય છે. બુદ્ધિનેય સંતોષ થાય છે. એનો વાંધો નહીં.

આ જેટલું કહીએ એટલું કાઢતો જશે એટલે એક દહાડો એનો આરો આવી જશે, કે ભઈ, મનના કહ્યા પ્રમાણે તારે ચાલવું નહીં. મન પતંગ ચગાવવાનું કહે તો ના કહી દઈએ. ફક્ત મન એટલું કહે, અંદર એક લાડવો છે, તે અડધો ખઈ લઈએ, તો અડધો ખઈ જજે.

નોર્માલિટી ઈઝ ધી એસેન્સ ઑફ લાઈફ

પ્રશ્નકર્તા : એક વખત અમે એકલો ભાત જમતા હતા, તે આપે છોડી દેવાનું કહ્યું હતું અને એક વખતે આપે એવું કહ્યું કે ખાવામાં મનને ગમે એવું લેવું. ના ગમે એવું ના લેવું.

દાદાશ્રી : હા, તે છોડી દેવાનું કહ્યું હતું. આ તો પોતાને ફાવે એવું વર્તે છે. આ કંઈ પૂછી પૂછીને ઓછા કરે છે ? આજે મનમાં ધૂન આમ આવી તો આમ કરે અને કાલે ધૂનમાં આમ આવ્યું તો આમ કરે. એવું કરો એનો અર્થ એવો નહીં કે તારું શરીર નિર્બળ થતું હોય તોય કરવું. એટલે અમે કહીએ, આ આનાથી થતું નથી, શરીર દુર્બળ થઈ જાય છે માટે ના કરીશ, છોડી દે. એનો અર્થ શું છે કે શરીર સારું રાખવું હોય તો મનને ગમે એવા ખોરાક લેવા જોઈએ. પણ જોડે જોડે એક્સેસ (વધુ પડતું) ના હોવું જોઈએ. મનને ના ગમતું આપીએ તો શું થાય ? દેહ કંતાઈ જાય. એટલે ખોરાકમાં આપણે થોડું આપવામાં વાંધો નહીં.

બાકી, સાધુઓને તો એક જ વખત આહાર કરવાનો કહ્યો છે. કારણ કે એમને ફાંકા ના પડે, શક્તિ વધારે હોય.

પ્રશ્નકર્તા : સાધુઓને એક વખત આહાર કરે ને ચાલે એટલી શક્તિ મળી રહે ?

દાદાશ્રી : એ બધા નિયમવાળા. તમે ઠોકાઠોક કરો. સારું લાગે એ ઠોકાઠોક કરો. તમને કોઈ જાતનો નિયમ નહીં, ભાન નહીં, કશું જ નહીંને! એ તો લેવલવાળા, નૉર્માલિટીવાળા. બધું પદ્ધતિસરનું. તમે તો સારું લાગે તો દસ ડિશ આઇસ્ક્રીમ ખાઈ જાવ !

પ્રશ્નકર્તા : પહેલા એવું બધું કરતો હતો.

દાદાશ્રી : મન તો એવું જ ને ? તું કરતો કે નહતો કરતો, પણ આજેય મન તો એવું જ ને?

પ્રશ્નકર્તા : હવે મન એવું બતાવે નહીં. આઈસ્ક્રીમ ખાવાનુંય ના બતાવે.

દાદાશ્રી : એ નહીં ને બીજું પેસી જાય. હું કહું તેનું તારણ કાઢતાં ના આવડે ? અમને મન કહે કે એક મઠીયું વધારે ખાવ, તો અમે ના પાડીએ. મન કહે કે ચાલશે, તોય કાઢી નાખીએ.

મહીંથી મન શું કહે ? ‘આ ખાવને !’ પાછલું જ્ઞાન કહે છે, ખાવને ! અમે કહીએ કે ભઈ, એ ખવાય નહીં. તમે બૂમો પાડો તો નકામું છે. અમે અમારા આજના જ્ઞાનના આધારે ચાલીએ, આજના અભિપ્રાયથી ચાલીએ.

મનને ખુશ રાખવાની કળા

પ્રશ્નકર્તા : એક વખત વાત એવી રીતે નીકળી હતી કે આ પ્રતિબદ્ધ કરનારું કોણ ? દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ પ્રતિબદ્ધ કરતા નથી, તમારી રોંગ બિલીફો પ્રતિબદ્ધ કરે છે.

દાદાશ્રી : રોંગ બિલીફો સાથે હોય કે ના હોય, પણ બંધાયા એટલે બંધાયાને ? માટે એ પ્રતિબદ્ધ કરે છે. તોય એ આપણા (જ્ઞાન લીધેલા) મહાત્માઓ માટે રોંગ બિલીફો છે. બહારના લોકો માટે તો એ પ્રતિબદ્ધ કરે છે. એ છે પારકું. તે પોતાને અદ્ધર જ બાંધે. એક માણસને જલેબીએ બાંધ્યો હોય, તો ત્યાં હોટલમાં બોલાવ્યા વગર છોડે નહીં. જલેબી એને બાંધે છે. તને નહીં બાંધેલું કશાએ ?

પ્રશ્નકર્તા : હા, બરાબર છે. ખેંચાણ કરે. એને એટ્રેક્ટ (ખેંચાણ) કરે.

દાદાશ્રી : અરે, આખુંય તુંબડું ત્યાં જાય. એટલે જ્ઞાની પાસેથી સમજી લે તો સારું.

પ્રશ્નકર્તા : જ્ઞાની માટે પણ સંજોગ આવે જ ને ! એ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આવે..

દાદાશ્રી : સંજોગોને આધારે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આવે. સંજોગો પેલા ગોઠવાયેલા હોય.

જો આ સરસમાં સરસ પેલા કાજુ છે, બદામ છે, પણ અમે એનો ફાકો નથી મારતા ? જો આ મન બંધાયેલું છે ત્યાં અમે કહીએ કે ‘લ્યો હવે.’ એક ફાકો મારીએ.

પ્રશ્નકર્તા : અહીંયા મન બંધાયેલું છે.

દાદાશ્રી : તે આખું બધું ના લે, એક જ ચમચો લે. એટલે આ બંધાયેલું ખરું, પણ એને ના કહીએ તો કશું નહીં, અસર ના હોય. કોઈ કહે, નહીં ખાવાનું, તો છો રહ્યું. અમે અમારા મનને આવું તેવું આપીએ ને, તે એક ચમચો આપીએ, વધારે નહીં. એને ખુશ રાખીએ.

પ્રશ્નકર્તા : જ્ઞાની પણ મનને છેતરે ?

દાદાશ્રી : મનને ખુશ રાખવાનું. ત્યાગીઓ શું કરે ? અડવા ના દે. એટલે પેલું મન રિસાય પછી.

આપણે એને ત્યાગ કરાવતા નથી, કશું તોફાન નથી કરાવતા. નહીં તો બહુ ત્યાગ કરાવ્યો હોય ને ત્યારે ચિડાયેલું હોય. હા, બહુ ચિડાયેલું હોય, આપણા બોલતા પહેલા બચકું ભરી લે. તે ચૂંટી ખણીએ ને તે ઘડીએ બચકું ભરી લે. કારણ કે ચિડાયેલું મન તે શું થાય? આ તો જરાય ચિડાયેલું નથી, ઉશ્કેરાટ છે જ નહીં મનમાં. અને ઉશ્કેરેલું કૂતરું કેવું હોય? બચકું ભરી લે. તે મનેય એવું જ છે, બળ્યું. એને ‘આ ત્યાગ થાય, આ ત્યાગ થાય’, તે કંટાળી જાય પછી.

જાણવું કે ગાંઠ હજી મોટી છે

પ્રશ્નકર્તા : કોઈ કોઈ વખત અજાગૃત દશામાં ભાવતી વસ્તુ માટે એમ થાય કે ફરી આ મળે તો સારું, તો શું કરવું ?

દાદાશ્રી : (ફરી) ત્રીજી વખત મળે તોય સારું, એમ થાય તોય એમાં વાંધો શું ?

પ્રશ્નકર્તા : ના, પણ એવો ભાવ થયા કરે કે ફરી મળે, અજાગૃત દશામાં, તો શું કરવું ?

દાદાશ્રી : ખાનારને થાય છે, તમને નથી થતું. તમે ખાતા નથી, તમે જાણો છો. એ ખાનારને વિચાર ના થાય ? ગાંઠ મોટી હોય ને એટલે થાય. એ થાય તો એમ જાણવું કે આ ગાંઠ હજી મોટી છે. તે બે-પાંચ વખત જમીશું એટલે નીકળી જશે અને તે વધારે ખવડાવવું. મહીં છે એટલું જ ખવાશે, બીજું નહીં. વિચારો આવે એટલે મહીં ગ્રંથિ હોય તો જ વિચાર આવે અને વધારે વિચાર આવે એટલે એ ગાંઠ મોટી છે. કોઈ માણસ રોજ બ્રાંડી પીતો હોય તો એને બ્રાંડી દહાડામાં બે-ત્રણ વખત યાદ આવે એટલે આપણે જાણીએ કે ગાંઠ આવી મોટી છે. છૂટતાં છૂટતાં ઘણો વખત લાગશે. નહીં તો ગાંઠ નાની હોય ને, તો ચાર-પાંચ વિચારમાં તો ખલાસ થઈ જાય પછી. કારણ કે બંધ પડતો નથી એવી એ નિર્જરી રહી છે. એટલે ખલાસ થઈ જાય. તમને કોઈ પણ વિચાર આવે તો એ ગ્રંથિ મહીં છે જ. એને કહીએ, ‘જય સચ્ચિદાનંદ! આવો.’ આ સારી છે ને આ ખોટી છે, એની ભાંજગડમાં નહીં પડવાનું. ભરેલો માલ છે એટલે એનો વિચાર આવ્યો. ફરી કોઈ વખત તમને માંસાહાર કરવાનો વિચાર આવે, ‘માંસાહાર કરવા જેવો છે,’ એવો વિચાર આવે તો જાણવું કે મહીં ગાંઠ છે અને નથી આવતો એટલે ગાંઠ નથી. એટલે એને તો મફત આપે તોય એ ના લે. એટલે મહીં ગ્રંથિઓ બધી પડેલી છે.

‘માંસાહાર કરવા જેવો નથી’ એમ બોલો, એમ કરતા કરતા ગાંઠ ઓગળી જાય. પહેલા ‘કરવા જેવો’નો અભિપ્રાય થયો હતો એટલે ગાંઠ પડી હતી. હવે ‘નથી કરવા જેવો’નો અભિપ્રાય થયો એટલે ગાંઠ ઊડી જાય. અભિપ્રાય ચેન્જ (ફેરફાર) કરવાની જરૂર છે.

જોવાથી છૂટી જાય મનની ગાંઠો

પ્રશ્નકર્તા : આ બધી ગ્રંથિઓ ઉખેડવા માટે હું શું કરું, જેથી કરીને મારી ગાંઠો નીકળી જાય?

દાદાશ્રી : ગ્રંથિઓ ટાઈમ થાય એટલે ફૂટે જ. એનો ટાઈમિંગ હોય કે અમુક ટાઈમે આ ઊગી નીકળવાની. એટલે ફૂટે ત્યારે આપણે એની મહીં તન્મયાકાર નહીં થવું, એને જોયા કરવું. એટલે એ ગાંઠ ગઈ. અને વખતે તન્મયાકાર થાય એવી ગાંઠ હોય એટલે એ ખાયે ખરું તો ખાનારાને પણ જોવો. એટલે એ ગાંઠ ગઈ બધી. બનતાં સુધી સ્ટ્રોંગ (મજબૂત) રહેવું. કહીએ કે ‘એય ! ખાવાનું નહીં.’ છતાંય આમ થઈ જાય તો પછી એય જોવું. એટલે ગાંઠ બધી છૂટી જાય. હવે ગાંઠો છૂટવા માંડશે.

સિદ્ધાંત વિરુદ્ધનું અમને એક્સેપ્ટ નથી

પ્રશ્નકર્તા : વ્યવહારિક કામ માટે મન બતાડ બતાડ કરતું હોય તો મનનું માનવાનું ?

દાદાશ્રી : મનનું કોઈ પણ સંજોગોમાં માનવું નહીં, વ્યવહાર હો કે નિશ્ચય હો. અમને ખાવાનું આ વધારે મૂક્યું તો અમે પેલું કાઢી નાખીએ. પેલું મૂકે તો બીજું કાઢી નાખીએ.

પ્રશ્નકર્તા : આ મનનું બતાવેલું છે અથવા મનનું મનાઈ રહ્યું છે એ પોતાને ખબર પડે ?

દાદાશ્રી : કો’કનું કહેલું ના ખબર પડે કે આ કો’ક મારા કાનમાં કહી રહ્યું છે ? એવું ના ખબર પડે? આ વહુ કહી રહી છે કે ‘તમારા બાનો સ્વભાવ તો ખરાબ છે.’ એવું આપણે બોલીએ કે વહુ બોલે ? પારકું બોલેલું ખબર ના પડે આપણને ?

પ્રશ્નકર્તા : હવે પોતાનું બોલેલું શું હોય તો?

દાદાશ્રી : પોતાનું બોલેલું પોતાના હિતની જ વાત હોય, પોતાની આબરૂ જાય એવી ના હોય એ વાત.

પ્રશ્નકર્તા : દાખલો બહુ સહેલો છે પણ પોતાને મહીં ગૂંચાય ત્યારે પેલું જજમેન્ટ (નિર્ણય) આવવું જોઈએ ને ?

દાદાશ્રી : તે ના આવે ? આપણા સિદ્ધાંતની વિરુદ્ધ આ કોણ બોલ્યું એ ના ખબર પડે? ‘આ મૂઓ કોણ છે ? કંઈથી આવ્યો છે ?’ એવું કહીએ તે પેલો ખસી જાય, આમ થોડીવાર ભડકાવીએ તો. આ તો બોલવામાં આટલો ફાયદો થાય.

પ્રશ્નકર્તા : આ ફક્ત બોલે ને, જ્યારે મનની સાથે વાત કરવાનું શરૂ કરે ને ત્યાં જ એનો ફોર્સ ખલાસ થઈ જાય છે.

દાદાશ્રી : હા, ત્યાં જ એનો ફોર્સ ખલાસ થઈ જાય, એનો જો સહેજે પ્રતિકાર કરવા માંડ્યો તો. એની વિરુદ્ધ નહીં થવું જોઈએ. એમને દબાવવાની વાત નહીં કરવી. એ તો સ્પ્રિંગ છે. દબાય દબાય કરીએ એનો અર્થ જ નહીં ને ! એને તો કહેવાનું કે ‘ભઈ, અમારો સિદ્ધાંત આ છે ને તું આ જે કહું છું એ અમારે એક્સેપ્ટ નથી.’

સમજો વાત સિદ્ધાંતપૂર્વક

પ્રશ્નકર્તા : એટલે સમજાવીને સૉલ્યુશન (ઉકેલ) લાવવું પડે.

દાદાશ્રી : હા, આપણે પરાણે દબાવીએ એટલે એ તો સ્પ્રિંગ છે, ઊછળે પાછી.

પ્રશ્નકર્તા : એ કેવી રીતે ખબર પડે કે આપણે પ્રતિકાર કરીને દબાવી રહ્યા છીએ કે સમાધાન કરાવી રહ્યા છીએ ?

દાદાશ્રી : એવું પ્રતિકાર ના કરાય. પ્રતિકાર કરવું એટલે દબાવી દીધું. એ તો એને અમથા અમથા જોર મારીએ કે ‘કૌન હૈ અભી?’ પણ એનો અર્થ એવો નહીં. પછી એને કહેવું કે ‘જો, આવું થાય? આપણે તું તો ઘરનો રહીને આવું થાય ?’ આમતેમ કરીને, સમજાવીને પછી કામ લેવું પડે. નહીં તો સ્પ્રિંગ કૂદે પછી ! આ અમે વિચાર્યા વગર બધો સિદ્ધાંત મૂકીએ છીએ ?

પ્રશ્નકર્તા : ના, દાદા, અનુભવના છે આ તો.

દાદાશ્રી : આ એક અવતારનો અનુભવ નથી. આ તો કેટલાય અવતારનો સિદ્ધાંત ભેગો થયેલો છે. માટે એને સિદ્ધાંતપૂર્વક સમજો.

કૂદતા મનને બાંધે એક માત્ર જ્ઞાન

પ્રશ્નકર્તા : આપે કહ્યુંને કે મનને પંપાળ પંપાળ પણ નહીં કરવાનું ને દબાવવાનું પણ નહીં, તો શું કરવાનું ?

દાદાશ્રી : દબાવવાનું આપણે નથી હોતું. એને આપણે રિવર્સમાં (પાછળ) લેવાનું. એનો અભિપ્રાય આમ હોય કે ‘આ બહુ ખરાબ છે’, તો આપણે કહેવું કે ‘બહુ સારા છે, ઉપકારી છે.’ બહુ સારા કહીએ છતાંય ના માને ને ફરી કહે કે ‘ખરાબ છે’, ત્યારે આપણે કહીએ, ‘ઉપકારી છે આપણા.’

ગમે તે રસ્તે એને કાબૂમાં લઈ શકાય. જે જ્ઞાન છે ને, તે જ્ઞાનના આધારે તમે મનને કાબૂમાં, કંટ્રોલમાં લઈ શકો. જે કૂદાકૂદ કરતું હોય તે બંધ થઈ જાય.

હંમેશાં મન કોઈ ચીજથી બંધાય એવું નથી. જ્ઞાને બાંધ્યું મન રહે, જ્ઞાન એકલાથી જ બંધાય એવું છે આ. બાકી મન કોઈ દહાડો કંટ્રોલમાં રહી શકે નહીં, એ મિકેનિકલ (યાંત્રિક) વસ્તુ છે. છતાં એ જ્ઞાનથી બંધાય એવું છે. એમ કરતું કરતું દહાડે દહાડે મન એક્ઝોસ્ટ (ખાલી) થયા કરે, એટલે છેવટે એ ખલાસ થઈ જવાનું. નવી શક્તિ મળતી નથી, જૂની શક્તિઓ વિખરાયા કરે. તે મન પછી ખલાસ થઈ જવાનું. અમારે મન ખલાસ થઈ ગયુંને !

મનને ગાંઠે નહીં તો મન જીતાય

પ્રશ્નકર્તા : એક વખતે આપે મનને મારવા માટે કીમિયો બતાવ્યો હતો કે મન કહે કે આજે (ટ્રેનમાં) થર્ડ ક્લાસમાં જવું છે, તો ફર્સ્ટ ક્લાસમાં જવું.

દાદાશ્રી : હા, બરોબર. મનનું ચલણ ના ચાલવા દઈએ ત્યારે મન સમજી જાય કે હવે આ સાહેબ આપણા કાબૂમાં નથી અને પછી એ જોરે નહીં કરે, જુલમ નહીં કરે. વખતે જોર કરશે પણ જુલમ નહીં કરે. એ જાણે કે આ કાબૂમાં છે તો ત્યાં સુધી જુલમ કરશે. માટે ગાંઠવું જ નહીં. એ આમ કરે તો આપણે એથી ઊંચું કરવું. એનું નામ વિવેક કહેવાય.

એક સાહેબ મને કહે છે, મારાથી રૂપિયા છૂટતા નથી. તો મેં એવું કહ્યું હતું કે તમારે રીક્ષા લઈને આવવું અને રોકડા પૈસા આટલા જોડે લઈ આવો ને રસ્તામાં વેરતા વેરતા આવો. મન જાણે કે આ તો આપણા કાબૂમાં જ ન રહ્યા. આ તો દાદાના કાબૂમાં જતા રહ્યા. એટલે મન ટાઢું પડી જાય. મનનું અપમાન થાય ને એટલે એની આબરૂ જતી રહે. મનનું અપમાન જ કોઈ દહાડો કર્યું નથી ને ! મનનું અપમાન જ નથી થવા દીધું. એને માનમાં ને તાનમાં જ ચઢાવ્યું છે.

‘ફર્સ્ટ ક્લાસમાં જજો’ કહીએ, તે દહાડે મન ઝાવાદાવા કરે ! અહીંથી જોડે લઈ જવાનું હોય તો ઠીક વાત છે. આ જોડે લઈ જવાનું નહીં ને વગર કામનું હાય હાય કરે !

ના ગમતું હોવું જ ના જોઈએ

પ્રશ્નકર્તા : આમ ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો’ બોલવાનું હોય ને તો આમ બોલવાનું ગમે, પણ પેલી દસ-પંદર મિનિટથી વધારે બોલવાનું થાય એટલે પછી મનને ના ગમે.

દાદાશ્રી : માણસ એનું નામ કહેવાય કે ‘ના ગમતું’ હોય જ નહીં. ને જ્યાં સુધી કંઈ પણ ‘ના ગમતું’ હશે ત્યાં સુધી બળજબરીથી એ કરવું પડશે. આ તમારે દવા ‘ના ગમતી’ હોય તોય પીવી પડે છે ને ? નહીં તો છ રસ લે, કડવું સાથે લે, તો પછી કડવી દવા ના લેવી પડે. પણ એ નથી લેતા એટલે પછી કડવી દેવા લેવી પડે છે. રસ તો પૂરા કરવા પડશે ને ?

પ્રશ્નકર્તા : પણ પેલું મન એવું સમજાવતું હોય કે આ ગાવાથી કશું થાય નહીં.

દાદાશ્રી : પણ આવું ઊંધું સમજાવે ત્યારે આપણે કહીએ નહીં કે આજ દિન સુધી તે મારું શું ભલું કર્યું, તે હું જાણું છું. માટે તારી સલાહ બાજુએ મેલ. તારી વાત અમારે નથી સાંભળવી. એ જુદા છે ને આપણે જુદા છીએ, આપણે શું લેવાદેવા? અત્યાર સુધી આપણે એ જાણતા હતા કે સગો ભાઈ જ છે, એટલે એના કહ્યા પ્રમાણે આપણે ચાલતા હતા.

‘મને ગમતું નથી’ એનું જોખમ

‘મન કા ચલતા તન ચલે, તાકા સર્વસ્વ જાય.’ એટલે મન કહે તેના વિરુદ્ધ ચાલવું. મન કહેશે, ‘મને નથી ગમતું.’ ત્યારે કહીએ, ‘મને ગમે છે. તું કોણ? તું ઘરનો માલિક છું ?’

મન એટલે પાછલા અવતારનો માલ, તે અવતારમાં આપણે ગાંડા હોય કે ઘેલા હોય, જેવો ભરેલો એ આ ફેરે નીકળે છે. તેથી આપણે એના પ્રમાણે ચાલવું ?

પ્રશ્નકર્તા : ના જ ચલાય.

દાદાશ્રી : તેય ચાલે જ છે ને ! ના ચલાય. આપણે પાછલા અવતારમાં માલ ભરેલો અને તે વખતે જે સ્થિતિ હશે તે પ્રમાણે ભરેલો. અત્યારનું જ્ઞાન આપણને મોક્ષે લઈ જવાની વાત કરે તો આપણે એનું, આ જ્ઞાનનું એક્સેપ્ટ કરવું કે પેલું કરવું ?

પ્રશ્નકર્તા : આ જ્ઞાનનું એક્સેપ્ટ કરવું.

દાદાશ્રી : તે તો કરતા છે નહીં અને બોલે છે મોટી મોટી વાતો! તે અણગમો તો ના જ રહેવો જોઈએ.

પ્રશ્નકર્તા : મનના ચલાવ્યા ચાલે છે, એનું કારણ શું ?

દાદાશ્રી : પોતાની નબળાઈ. અનંત અવતારથી નબળાઈ પેસી ગયેલી, તે નીકળતી નથી. હવે પોતાનો એવો અહમ્ નહીં, એવી નબળાઈ જ છે ખાલી. મનના કહ્યા પ્રમાણે ચલાય જ કેમ ? એક અક્ષરેય મનનો માનવો નહીં. ‘ચલે જાવ’ કહીએ. પછી બીજું કશું નહીં. આવે ખરું મનમાં, પણ તે ગાંઠે નહીં. એક અક્ષરેય ગાંઠતો નથી.

ઉકેલ લાવી નાખને ! તું તારા મનમાં માની બેઠો હોય કે સાવ સોનું છે પણ નકામું જશે, ધૂળમાં જતું રહેશે. સાવ સોનું પણ શું કરે, જ્યાં ધણી જ નહીં? જે મકાનમાં ધણી નહીં, એ મકાનમાં સોનું પછી કામનું જ શું તે ?

‘મને નથી ગમતું’ એ બોલવું એ કેટલો ભયંકર ગુનો છે ! ને આ સાયકોલોજિકલ ઇફેક્ટ (માનસિક અસર) શું થાય? આત્મા તેવો થઈ જાય. આપણે ‘એનું’ ઉપરાણું લઈને શું કામ છે ? ‘મને ગમતું નથી’ એની આત્મા પર શું અસર થઈ તને ખબર છે? ડાઘ પડી ગયો. હવે આ ડાઘ કાઢતા કેટલો ટાઈમ લાગશે? ઠેર ઠેર ડાઘ કાઢતા પાછો કેટલો ટાઈમ લાગશે ? ઠેર ઠેર ડાઘ પાડી મેલોને તે શું થાય? એટલે આ જેવું ચિંતવે એવો આત્મા થઈ જાય.

બિલકુલ મનને ના ગમતું હોય, સો ટકા ના ગમતું હોય તોય આપણે કહીએ, ‘મને ગમે છે’ એટલે એવો જ આત્મા થઈ જાય.

ના વાપરે અધિકાર, ‘જે આવ્યું તે કરેક્ટ’

તમે અમારી જોડે હો છો તોય તમને ખબર ના પડે કે આ દાદાજીને ‘ના ગમતું’ કશું નથી! દાદાજીને સર્વ હક્ક છે, બધા જ અધિકાર છે છતાં ‘ના ગમતું’ કશું કરવું પડે એવું છે નહીં. છતાંય મનને ‘ના ગમતું’ હોય તોય કરે છે.

અમે બપોરે અઢી વાગે સૂઈ ગયા હોઈએ ને સાડા ત્રણ વાગે ઊઠીએ ત્યારે મન મહીં અમને કહે, ‘હજુ તો હમણે જ સૂઈ ગયા છીએ ને આ હવે હમણે ને હમણે ઊઠવાનું ?’ પણ એનું કશું ચાલે નહીં. ‘ગેટ આઉટ. આ જો બૂમ પાડવી હોય તો બીજે ઘેર જાવ.’ અમે મનનું સાંભળીએ નહીં. મન ના કહેતું હોય તોય સાંભળવા-કરવાનું નહીં. રેગ્યુલર (નિયમિત) એટલે રેગ્યુલર. તમે તો મનનું સાંભળો ને ? નહીં તો અમને કોણ પૂછનાર છે? તમને બધાને પૂછનાર છે, અમને કોણ પૂછનાર છે? અમે કહીએ કે ‘આજે છ વાગે જાવ, સત્સંગ બંધ રખાવો’ તો બંધ રહે એ. પણ એવું કશું ચાલે નહીં.

પ્રશ્નકર્તા : બપોરે જો દસ મિનિટ કે પંદર મિનિટમાં ઊઠવાનું હોય તોય આપ તરત ઊઠીને બેઠા થઈ જાવ !

દાદાશ્રી : હંઅ. અને સવારમાં તમને કહ્યું’તું ને કે સાડા સાતે અમને ખબર આપવી તો અમે પોણા આઠ સુધીમાં તૈયાર ! અમે જાગતા જ હોઈએ પણ અમારે વિધિઓ કરવાની હોય, તે સ્પીડિલી (ઝડપથી) લઈ લઈએ જરા. નહીં તો અમને સવા આઠ સુધી કોઈ ના પાડતું હતું ? પણ જો જરાય કશો ડખો નહીં, એક્યુરેટ (ચોક્કસ). ઘણા ફેરા એવું અમને થાય કે ના જ ગમે, ખાવામાં અમને ના ગમે. પણ જે આવ્યું તે કરેક્ટ (બરોબર). ત્યારે મન શું કહે છે કે ‘સાંજે ફરી કહી દો.’ ત્યારે કહે, ‘ના. તે કશું કહેવાનું નહીં પાછું. જે બને તે ખાવ. અમારી પાસે ભીખ મંગાવડાવો છો ? એમાં જે બને એ ખાવ. ચૂપ!’ નહીં તો અમને કોણ પૂછનાર છે ? અમને જે મંગાવવું હોય તે મંગાવીએ ને અત્યારે આઇસ્ક્રીમ મંગાવીએ તોય કોઈ વાંધો ના ઊઠાવે, કે દાદાજી કેમ આમ કરે છે ? વાંધો ઊઠાવે ?

પ્રશ્નકર્તા : કોઈ ના ઊઠાવે.

દાદાશ્રી : પણ કશું મંગાવીએ છીએ ? મન કહે તોય નહીં. એવું હોતું હશે ? મન તો ચક્કર સ્વભાવ છે. તે જે એની જોડે ટચ થાય એને ઘનચક્કર બનાવ્યા વગર રહે નહીં.

તમે દાદાને આટલું બધું જુઓ છો, તોય તમને ખબર ના પડે? દાદાને ‘ના ગમતું’ નહીં હોય કંઈ? બપોરે દાદા ટાઈમસર, સવારે ટાઈમસર ને રાત્રે સૂતી વખતેય ટાઈમસર !

પ્રશ્નકર્તા : દાદા, અમે બધા એવા છીએ કે એક મિનિટેય ગમીએ નહીં, તોય તમે કેટલી સારી રીતે ગમાડીને રાખો છો !

દાદાશ્રી : હા, જુઓને ! પણ તમને સહેજ અભાવ દેખાય છે? ના દેખાય. અમે તો એક અક્ષરેય મનનું માનીએ તો તો આ બધાની જોડે વીતરાગતા શી રીતે રહે? રહે ખરી વીતરાગતા ?

મન માંગે વિવિધ ખોરાક

પ્રશ્નકર્તા : મનમાં થયા કરે કે હવે જલદી આ પૂરું થઈ જાય.

દાદાશ્રી : મનનો સ્વભાવ તો જેમાં મૂકો તેમાં ઉતાવળ કરે. હમણાં ગાડીમાં જવાનું હોય તો ત્યાં ઉતાવળ કરે. ઊતરવાનું હોય તો ત્યાં ઉતાવળ કરે. જ્યાં મૂકો ત્યાં મનનો સ્વભાવ જ ઉતાવળિયો. ‘ઝટ કરો, ઝટ કરો’ કહેશે. ઝટ કરીને તો દશા થઈ મારી, કહીએ. પણ મનનો સ્વભાવ જ છે એ.

હવે એ શાથી મન કૂદાકૂદ કરે છે ? મનને કોઈ કામ આપ્યું નથી. મનને કામ આપવું જોઈએ. મન નવરું પડે ને તો ‘ઝટ કરો, ઝટ કરો’ કહેશે. ક્યાં ઝટ કરો ? ત્યારે કહીએ, ‘મોક્ષમાં.’ ત્યારે મૂઆ,અત્યાર સુધી આ બાજુ ‘ઝટ કરો, ઝટ કરો’ કહેતું હતું ને !

એટલે મન વિરોધાભાસી છે. એમાં એક પ્રકારનું નથી. અને જે બાજુ મોઢું ફેરવી આપોને તો એ બાજુ ચાલવા જ માંડે. તમને ફેરવી આપતાં આવડવું જોઈએ. એને મારી-ઠોકીને કહીએ, ‘તું ફર, તું ફર.’ ત્યારે એ નહીં ફરે. તમે એને ફેરવી આપો ને ! મનનો સ્વભાવ એવો છે, એને ઓળખીને કામ લેવું પડે. એના સામા થવામાં ફાયદો નહીં.

મન બહુ રીસાયું હોય તો એને ફાવતી બે ટિકિટ (વસ્તુ) આપી દેવી, એટલે ખુશ થઈ જાય અગર શીખંડ ભાવતો હોય તો ખવડાવી દેવો. એને એવું નથી કે કાયમને માટે છે મહેમાન. એક તત્પૂરતી જ ફક્ત એને ગોળી ખવડાવી દો તો ચાલ્યું. નહીં તો અટકે તે ઘડીએ દમ કાઢી નાખે. એટલે કંઈ કામ આપી દેવાનું, બસ. નહીં તો આપણને ગોદા માર માર કર્યા કરે કે ઝટ કરો, ઝટ કરો. અરે, પણ શેમાં ઝટ કરો ? આ કંઈ ખીચડી કરીએ તોય ત્યાં એ ઉતાવળ કરે. ના મૂકી હોય ત્યાં સુધી કશું નહીં પડેલી. મૂક્યા પછી કહેશે, ‘ખીચડી મૂકી તે થઈ ગઈ?’ થઈ ગઈ ?’ અરે, પણ હમણાં મૂકી છે ને ! શું તમે તોફાન માંડ્યું છે તે ?

‘પૈણવું નથી’ એ વાત જુદી છે અને ‘નોકરી નથી ગમતી’ એ વાત જુદી છે. નોકરી નથી ગમતી તો ધંધો કરવો જોઈએ. મનને કંઈક ખોરાક જોઈએ કે ના જોઈએ ? કે ચાલે ?

પ્રશ્નકર્તા : જોઈએ ને, નહીં તો બીજું ચરવા માંડે.

દાદાશ્રી : ગમે તેટલો આધ્યાત્મિક ખોરાક આપો તોય પણ મનને બીજો ખોરાક આપવો પડે. કારણ કે તમારું ગજું નથી એટલું.

મન ક્ષણવાર બીજા કામમાં ના રહે એવો ખોરાક આપી દેવાનો. અમારે ધંધો અને આમાં બે જ જગ્યાએ મન રહેતું. ધંધામાં વગર કામના ફાંફા મારે નહીં, એવું કરવાનું.

પ્રશ્નકર્તા : જ્ઞાનીનું મન તો વશમાં હોયને?

દાદાશ્રી : બિલકુલ વશ હોય, સમજણપૂર્વકનું.

પૌદગલિક લાલચ, જાગૃતિ આવરે

આ ગભરામણ અને સફોકેશન (ગૂંગળામણ) થયું, તે શાથી થયું? મનની વાત સાંભળી તેથી. જે જ્ઞેય હતું તેની વાત સાંભળી. મનની વાત તો સંભળાય જ નહીં, બહુ જોખમ. મનની જ વાત સાંભળ સાંભળ કરે એટલે ગૂંચાઈ જાયને પછી ?

તમને એવી ખબર પડે કે આ બગડ્યું ?

પ્રશ્નકર્તા : મનનું સાંભળવાનું બને એ ખબર પડી જાય. પછી એનું જોશ ના ચાલે.

દાદાશ્રી : ખબર પડી જાય એ લેવલ (દશા) કહેવાય. લપસ્યો તોય ના આવે તેને શું કરે ?

મનનું સાંભળે કે તન્મયાકાર થઈ જાય. પહેલા તન્મયાકાર જ થતો હતો. એ હજુ ટેવ જાય નહીંને! પહેલા તન્મયાકાર થઈને જ કરતો હતો. બીજું કંઈ અવલંબન હતું જ નહીંને ! જ્ઞાનરૂપી અવલંબન નહીં ને ! આ તો અવલંબન થયું અને કહ્યું કે ભઈ, એ એનું કંઈ સાંભળીશ નહીં, એ તો જ્ઞેય છે.

પ્રશ્નકર્તા : એ મન જોડે તન્મયાકાર ન થવા માટે વાતચીતનો પ્રયોગ બહુ હેલ્પ કરે છે.

દાદાશ્રી : પણ એ તો બહુ જાગૃતિ હોય ત્યારે એવું થાય ને! જગત બેભાન(દશા)માં છે. કશું ભાન-બાન નહીં, રામ તારી માયા. થોડી જાગૃતિ ખરી પણ ભાન નહીં. એટલે માર ખાયા કરે. આ તો પૌદગલિક લાલચ ના હોય તો છૂટો રહે.

ગુપ્તતા ખુલ્લી કરી નાખો

દાદાની પાસે જઈને ખુલ્લી વાત કરે ને, એટલે તમારું મન ઊભું ના થાય પાછું. દાદાની પાસે કબૂલ કર્યુંને એટલે મન ટાઢું થઈ જાય, ચૂપ થઈ જાય.

હમણાં આ ભાઈએ કોઈ ચોરી કરી, પછી અમને કહી દીધું, તે એનું મન શું કરે ફરી ચોરી કરવાને માટે ? ફરી કરવા માટે પાછું પડી જાય. મનની પછી હેલ્પ નહીં થાય. મન તો શું કહે છે કે કોઈને કહેશો જ નહીં ને કહેશો તો ફરી તમારું કામ નહીં કરું.

માટે ‘ગુપ્તતા ખુલ્લી કરી નાખો’, અમારું સાયન્સ એવું કહે છે. જે તમારી અંદર ગુપ્ત ભાવો હોય એ બધા ખુલ્લા કરી નાખો. બોજો ઓછો કરી નાખો. ક્યાં સુધી રાખી મૂકશો ? લાકડામાં જશો તોય બોજો રાખી મૂકવાનો ? ગુપ્તતા હોય કે નહીં લોકોને? તમે શું કહો છો?

પ્રશ્નકર્તા : ઊલટાંનું આપે કહ્યું છે ને કે મનને કડવું પીવડાવો ત્યારે જુદા રહેવું. એવા પુરુષાર્થમાં જ રહેવું જોઈએ.

દાદાશ્રી : ‘એ’ કડવું પીવે ત્યારે આપણે આમ તાલીઓ વગાડીએ, ‘હંઅ, હવે ઠેકાણે આવ્યા! ત્યાર વગર તમે ઠેકાણે આવો એવા નહોતા!’

પ્રશ્નકર્તા : એવું જોડે બોલવું પડે અંદર ?

દાદાશ્રી : એવું બોલ્યા કે વધ્યો આગળ. પછી દુઃખ ના હોય. દુઃખ અડે નહીં. ‘બહુ રોફ મારતા’તાને કંઈ, લ્યોને, સ્વાદ કાઢો !’

પ્રશ્નકર્તા : એવું બોલવાનું. એ બોલવાથી શું ઇફેક્ટ (અસર) ઊભી થાય છે અંદર ?

દાદાશ્રી : બોલવાથી બધું મહીં ટાઢું પડી જાય કે હવે આપણા હાથમાંથી લગામ ગઈ. મન-બન બધું ટાઢું પડી જાય. મન જાણે કે આ તો છૂપું રાખવાનું હતું, ખાનગી રાખવાનું હતું, તે બધું ઉઘાડું કરી નાખે છે. હવે આબરૂ જશે. આપણે પહેલું કહેવું પડે કે ઉઘાડું કરી નાખીશ, બા. તારે જે ઊંધું કરવું હોય તો કર. તે ચોરી કરી માટે કહી દેવું. એ ફરી ના કરે એવું કહી દઈએ તો, પણ લોકો છુપાવે, નહીં?

ફરી ગુનો કરવાનું મન થાય ને ત્યારે ઓપન (ખુલ્લું) કરીએ એટલે મન ટાઢું પડી જાય. એ જાણે કે હવે આ માણસને ત્યાં રહેવાય નહીં. મન શું કહે? ‘જે રીતે ઉઘાડું કરી નાખે છે, હવે અહીં તો આપણે રહેવાય નહીં.’ એટલે બીજી જગ્યાએ જતું રહે. તો તું શું કરીશ પછી ? બીજી જગ્યાએ જતું રહે તો ચાલશે? કારણ કે ઉઘાડું કરી નાખે એટલે મન રહે નહીં પછી. મન કંટાળી જાય કે આ તો કેવો માણસ છે ? મને બોલાવીને દગો કર્યો. ગુપ્ત રાખવાનું હતું, તેને ઉઘાડું કરી નાખવું, કહે છે.

મન વશ કરવું હોય તો એકરારથી થાય. દરેક બાબતમાં પોતાની નબળાઈ એકરાર કરો ને, તો મન વશ થઈ જાય, નહીં તો મન વશ થાય નહીં. પછી મન બેફામ થઈ જાય. મન કહેશે, ફાવતું ઘર છે આ!

જાગૃત કોને કહીશું ?

આ ‘અક્રમ વિજ્ઞાન’ છે, એટલે ઘણો ફેર થયો છતાં મહીં ગૂંચારા જેવું લાગે. કારણ કે મન છે ને, એ ફૂટ્યા કરે. છૂટા થઈ ગયા, આત્મ અનુભવ થઈ ગયો, છતાં મન ફૂટે તે ઘડીએ જાગૃતિ રહે નહીંને! એટલી બધી જાગૃતિ રહે નહીં કે આ જ્ઞેય છે ને હું જ્ઞાતા છું. ગમે એટલા મનના વિચાર આવતા હોય, એ જ્ઞેય છે ને હું જ્ઞાતા છું એવું બોલે તો પરિણામ બિલકુલ શાંત થઈ જાય. જાગૃતિ તો કોને કહેવાય કે વિચાર આવતા પહેલાં સમજાય કે આ તો જ્ઞેય છે ને હું જ્ઞાતા છું.

કેવી રીતે કરવો જાગૃતિનો પુરુષાર્થ ?

પ્રશ્નકર્તા : એ જાગૃતિ એટલે સુધી કેવી રીતે લઈ જવાની ? એ જાગૃતિને ત્યાં સુધી લઈ આવવા માટે કેવી રીતે પુરુષાર્થ કરવાનો ?

દાદાશ્રી : ચૂંટી ખણીનેય જાગૃતિ કરીએને ! ચૂંટી ખણીએ એટલે બધું જાગૃત થઈ જાય. પછી ગમે નહીં. એટલે માકણ કરડે તો જાગૃતિ આવે. મનના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય ત્યાં સુધી જાગૃતિ લઈ જવાની છે. પછી એ જાગૃતિ, જાગૃતિનું સંભાળી લે. પછી આપણે લઈ જવાની ના હોય. એટલે આ ચાલ ચાલ ક્યાં સુધી કરવું ?

પ્રશ્નકર્તા : વાણીથી પણ આગળ થયુંને, મન એટલે ?

દાદાશ્રી : એ બધાથી અલગ જ થઈ જાય, ત્યારે જ્ઞાતા-દ્રષ્ટા. ત્યાંથી પછી આ ઘોડાગાડીમાંથી ઊતરી પડવાનું. ત્યાંથી પછી બીજું મળી આવે. ચઢવું-ઊતરવું ના પડે એવું આવે.

થોડો ભાગ રહેતા શીખ્યો એટલે આવી ગયું. મન તો ઠેઠ સુધી રહેવાનું. મનને અનુકૂળ ગમે અને પ્રતિકૂળ ના ગમે. ચંદુભાઈ બહુ ડાહ્યા છે કહે કે એનાં મનને ગમે, એટલે ફર્સ્ટ ક્લાસ મોઢું થઈ જાય.

પ્રશ્નકર્તા : મનને ગમતું હોય છે, ત્યારે પોતે શું કરે ?

દાદાશ્રી : પોતે ઊતરી જાય નીચે ત્યાંથી. સ્લીપ થયા કરે એ તો.

પ્રશ્નકર્તા : પણ આપણે તો ઉપરનું જોઈએ છે, મનના જ્ઞાતા-દ્રષ્ટા સુધી, તો પછી મનને ના ગમે એવું હોવું જોઈએ ?

દાદાશ્રી : ના. મનને તો ગમે, આપણે ના કહીએ. ‘અમારે શું લેવાદેવા છે ?’ કહીએ. તને ગમતું હોય તો અમારે શું લેવાદેવા ? ‘તું તારી ઓરડીમાં સૂઈ જા. હું મારી ઓરડીમાં જઈશ.’ મનને ગાંઠે નહીં તો કામ ચાલે ત્યાં. આવું કહે એટલે ત્યાં પોતે જુદો થઈ ગયો.

પ્રશ્નકર્તા : એ જ જ્ઞાતા-દ્રષ્ટા કહેવાય ?

દાદાશ્રી : ત્યાંથી જ્ઞાતા-દ્રષ્ટાની શરૂઆત થઈ. ઠેઠ સુધી મનને કડવું લાગે એવું પી પી કરવું પડે.

પ્રશ્નકર્તા : હવે મનને કડવું પીવાનો વખત આવ્યો ત્યારે જ્ઞાતા-દ્રષ્ટાનો લાભ કેવી રીતે ઊઠાવવો?

દાદાશ્રી : એક્ઝેક્ટ જાગૃતિપૂર્વક કડવું પીધું એટલે જ્ઞાતા-દ્રષ્ટા થયો જ.

પ્રશ્નકર્તા : પણ મનને ના ગમ્યું હોય એટલે વાંધો પડે કે આવું કેમ ને આમ ને તેમ, તો પેલો જાગૃતિનો લાભ જતો રહેને ?

દાદાશ્રી : તો એ ડીમ થઈ જાય પછી.

પ્રશ્નકર્તા : તો જાગૃતિનો લાભ લેવા માટે કેવું હોવું જોઈએ?

દાદાશ્રી : મનને ના ગમે તો કહીએ, ‘તું તારા રૂમમાં સૂઈ જા, હું મારા ઘેર !’

પ્રશ્નકર્તા : હા, એવું કહેવું પડેને ?

દાદાશ્રી : મનને ના ગમે એટલે પોતાનું ભાન જુદું હોવું જ જોઈએ કે હું જુદો છું, તું કોણ છું ? ને મારે શું લેવાદેવા ?

પ્રશ્નકર્તા : એવું કહીએ, જુદું રહેવું જ જોઈએ, તો જ પેલો લાભ મળે એક્ઝેક્ટ ?

દાદાશ્રી : તો પોતે જીવવાનો આરો આવે, નહીં તો જીવે શી રીતે? ડિપ્રેશન આવે. ડિપ્રેશન આવીને પછી ખલાસ થઈ જાય. પોતે જુદો છે એવું ભાન હોવું જોઈએ.

ડિપ્રેશનને જાણે એ આપણું સ્વરૂપ

પ્રશ્નકર્તા : મન ડિપ્રેશનમાં હોય અને પોતે જુદો રહે, એવું બને?

દાદાશ્રી : હા, મનના ડિપ્રેશનને જાણીએ એ આપણું સ્વરૂપ છે.

પ્રશ્નકર્તા : મનનું ડિપ્રેશન પણ ન આવવું જોઈએને ?

દાદાશ્રી : એ તો આગળના સ્ટેજમાં. પહેલું ડિપ્રેશન આવવું જ જોઈએ. તેને જાણવું જોઈએ.

પ્રશ્નકર્તા : એ ડિપ્રેશનને જાણે નહીં ને એ ડિપ્રેશનમાં એકાકાર રહે તો ?

દાદાશ્રી : આ બધા બહારના માણસ જેવું થઈ ગયું પછી તો ! ડિપ્રેશન આવે તે ઘડીએ ઠંડું ના પડી જવું જોઈએ. ‘ઓહો, મારી જાત ખબર પડી હવે.’ એવો લાભ ઉઠાવવો જોઈએ. ‘મારી જાત ખબર પડતી, નહતી, હું કોણ છું’ એ ખબર નહોતી પડતી. તે જાણ્યું હવે. ડિપ્રેશન તો આત્મા સિવાય કોઈને ખબર પડે નહીં, એ જ મારો આત્મા ને એ જ મારું સ્વરૂપ !

પ્રશ્નકર્તા : આ ડિપ્રેશન છે એવું જુદું જોવું, એ જ આત્મા ?

દાદાશ્રી : જુદું જોનારો આત્મા ને ડિપ્રેશન આવે એટલે પાછું ટાઢુંટપ થઈ જાય. પણ એ પોતાની જાતને જાણતો નથી. એ ઘડીએ ખુશમાં રહેવું જોઈએ કે ‘ઓહોહો, આજે મારી જાત જડી મને !’ તેને બદલે ટાઢું થઈ જાય. આ કહે છેને, ‘મને ડિપ્રેશન આવ્યું’ ‘અરે, તને ડિપ્રેશન શી રીતે આવે ? તો જાણ્યું કોણે આ?’ એને આત્માએ જાણ્યું. આ તો બધા ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જ છે એટલે જોવાનું છે આપણે. ડિપ્રેશન ઘટી ગયું છે કે વધી ગયું છે એ જોયા કરવાનું.

પ્રશ્નકર્તા : ખરેખર ડિપ્રેશન વખતે પણ પોતે જાણતો જ હોય છે.

દાદાશ્રી : એ જ આત્મા. એના બદલે આ તો ટાઢાંટપ થઈ જાય. એવું છે ને, ડિપ્રેશન આવે ત્યારે આપણે એલિવેશન કરવાની (ઊંચે લાવવાની) જરૂર છે. બીજું શું કરવાનું? રોજ રોજ એલિવેશન કરવાની જરૂર નથી. ડિપ્રેશન આવે તો જ કરવાની જરૂર કે ‘હું અનંત શક્તિવાળો છું, હું અનંત સુખનું ધામ છું’ એમ એલિવેટ કરવો જોઈએ !

ડિપ્રેશન ના થાય એ જગ્યા આપણી. જો આનંદ જતો ના હોય એ જગ્યા આપણી. જ્યાં જગતનું કલ્યાણ થાય, એ જગ્યા આપણી ! એવું કહીશ ને ? તો સપાટાબંધ પગથિંયા ચઢી જવાય.

પ્રશ્નકર્તા : આવી રીતે બોલવાથી ખરેખર એ જુદાપણાનો વ્યવહાર શરૂ થઈ જાય છે.

દાદાશ્રી : એ ગમ્મત કરવાથી, મશ્કરી કરવાથી, જોવાથી જુદાપણું થઈ જાય. હું તો એવું હઉ કહુંને, ‘કેમ છો ! મજામાં છોને ! અંબાલાલભાઈ, લહેરમાં આવ્યા છો, કંઈક લાગે છે !’ એટલે અમે ફ્રેશ રહી શકીએને ! તે અમે આખો દિવસ ફ્રેશ રહીએ છીએ, તે આટલું કામ કરે છે.

મનને જીતીને જગત જીતાય

દાદાના મહાત્માઓ કોનું નામ કહેવાય કે મન વશ થઈ ગયું હવે. એટલે ‘ચંદુભાઈ’ને મન હોય પણ ‘તમારે’ તો એ મનને જોયા કરવાનું કે આવા વિચાર કરે છે. ખોટા વિચાર કરે છે એ જોયા કરવું. કારણ કે રિઝલ્ટ (પરિણામ) છે એ ભોગવવું પડશે. અને રિઝલ્ટ એટલે પોતાને બંધ કરવું હોય તોય ના થાય અને તમારે શુદ્ધાત્માને તો વિચાર જ નહીં. તમારું પદ જ્ઞાતા-દ્રષ્ટા છે. એટલે મન તમને વશ થઈ ગયું અને મન વશ થઈ જાય તો જ આ સંસારમાં જીત્યા કહેવાય, નહીં તો મન વશ ના થાય તો જીત્યા નહીં.

જગત જીતવાનું છે. જો મન જીતે તો જગત જીતાય. ‘તમે’ મન જીતી લીધું છે અને મન જીતીને તમે જગત જીતવા નીકળ્યા છો. જગત જીતાય જ છે ને, જોવા જઈએ તો. જુઓ તો તમે એ સ્થિતિમાં છો. તમને એવી સ્થિતિનો જરાક ખ્યાલ આવવો જોઈએ, બસ. મારી જોડે બહુ ટાઈમ બેસો તો ખ્યાલ આવી જાય, પછી ઠીક થઈ જાય.

મન વશનો રસ્તો શો છે કે ‘આપણે કોણ છીએ, આ બધું શું છે, શા માટે છે’, એવું થોડુંઘણું આપણને સમજાય તો મન વશ થાય. અને નહીં તો તમે જો તમારા અભિપ્રાય બંધ કરી દો, તો તમારું મન તમને વશ રહેવું જ જોઈએ. જૂનાં અભિપ્રાયને લીધે એનું જે રિએક્શન (પ્રતિક્રિયા) હશે તે આવશે, પણ નવા અભિપ્રાય બંધ કરી દો તો તમને બહુ મઝા આવશે, તો મન વશ થતું જાય.

જ્યાં સુધી જરૂરિયાત હોય ત્યાં સુધી મન સંસારમાં રાખે છે અને તમારી જરૂરિયાત બંધ થઈજાય, એટલે તમને મોક્ષે પણ એ લઈ જાય છે. એટલે સંસાર સાગરમાં નાવડારૂપે છે એ. તે જ્યારે તમને મોક્ષે જવું હશે ને ત્યારે કિનારા પર પહોંચાડે. કિનારે આવ્યાપછી એને છોડી દેવાનું, અલવિદા આપી દેવાની. ઊતર્યા પછી કહીએ કે ‘જય સચ્ચિદાનંદ.’ તું ને હું જુદા !

જય સચ્ચિદાનંદ