‘આરતી’, પોતે પોતાના આત્માની

સંપાદકીય

હિંદુ સંસ્કૃતિમાં આરતી એ ભગવાનની ભાવ-ભક્તિનું એક ઉત્તમ સાધન મનાય છે. ભાવ-ભક્તિથી ભગવાન જોડે અનુસંધાન સધાય અને તેના થકી ધર્મ માર્ગે પ્રગતિના પ્રગરણ મંડાય. અહીં અક્રમમાં આત્મા પ્રાપ્ત થયા પછી હવે આરતીનું પ્રયોજન શું ? એનું મહત્વ શું ? એનું ફળ શું ? પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) એ અંગે વિજ્ઞાન ખુલ્લું કરતા કહે છે કે અહીં અક્રમમાં થતા મંત્રો-વિધિ-આરતી એ બધું જાગૃતની ભજના છે. એ જે જાગૃત લોકો છે એમનો વિનય કરે છે, પ્રેમ-આદર કરે છે, જાગૃતને રાજી કરે છે. જાગૃતની ભક્તિ એ પ્રગટની ભક્તિ છે અને મોક્ષ પ્રાપ્તિ માટે પ્રગટની ભક્તિ અનિવાર્ય છે.

અહીં આપણે થતી આરતી શ્રી સીમંધર સ્વામી ભગવાનની અને દાદા ભગવાનની એ પ્રગટ પરમાત્માની આરતી છે. દાદા ભગવાન એટલે જ્ઞાની પુરુષની મહીં પ્રગટ થયેલા ચૌદ લોકના નાથની આરતી છે. આખા બ્રહ્માંડના નાથની આરતી થઈ રહી છે. એ બહુ જ ઊંચી ભજના કહેવાય, આરાધના કહેવાય. જેની ભજના કરે તે રૂપ પોતે થાય. તે આ પ્રગટ પરમાત્માની આરતી-ભક્તિ કરે એટલે પોતે તે રૂપ થતો જાય.

આ આરતીઓ અલૌકિક છે. આ આરતી પંદર ક્ષેત્રમાં તીર્થંકરો સુધી, પંચ પરમેષ્ટિ ભગવંતો સુધી પહોંચે છે. આવી અમૂલ્ય આરતીનું મૂલ્ય શું આંકી  શકાય ? એનો તો જેટલો લાભ લેવાય એટલો ઓછો છે. આ તો કેશ બેંક છે, રોકડું છે ને તરત ફળ મળે આપણને.  આ આરતીથી મનની એકાગ્રતા રહે, આર્તધ્યાન-રૌદ્રધ્યાન બંધ થાય, ચિંતા કાયમની જાય, આખો દિવસ શાંતિ રહે, ઘરમાં ક્લેશ ના થાય અને પવિત્ર-આનંદમય વાતાવરણ બની રહે. ઘરના બધાને, છોકરાઓને સારા સંસ્કાર મળે. આ આરતી એ વ્યવહાર શુદ્ધિનું એક ઉત્તમ સાધન મૂકેલું છે. આરતી સમયે દેવી-દેવો ઉપસ્થિત રહેતા હોય છે, એમના આશિષ-કૃપા નિરંતર મહાત્માઓ ઉપર વરસતા હોય છે. આમ આ આરતીમાં અનેક લાભ સમાયેલા છે, તો પછી એનાથી વંચિત રહેવાનું કેમ કરીને પોષાય ?

દાદાશ્રી કહે છે કે જેની એક ફેરો આરતી કરવાથી મોક્ષ થાય એવી આ અમૂલ્ય આરતીનો લાભ બને ત્યાં સુધી જતો ના કરવો જોઈએ. અનંત અવતારના રોગોને નાશ કરનારી આ અજાયબ આરતી છે. કારણ કે આ કોની ભજના થઈ રહી છે ? પ્રગટ પરમાત્માની. દાદા ભગવાન એ મારો જ આત્મા છે, એટલે અહીં પોતાના આત્માની જ આરતી  થઈ રહી છે. અહીં ભક્તિ પણ ખુદની અને સત્સંગ પણ ખુદનો. આ તો રિયલની ભક્તિ રિયલને જ સ્પર્શે છે. અહીં બધું શુદ્ધાત્માના લક્ષ સહિત થાય છે. એટલે મહીં આપણું પ્રગટપણું વધતું જાય, આત્મશક્તિ ખીલતી જાય. આ વ્યક્ત માર્ગ છે. અહીં દરેકનું  પોતપોતાનું જ વ્યક્ત થઈ રહ્યું છે.

આપણા  અહોભાગ્ય કે સંગમેશ્વરની કૃપાથી અનંત આવતારનું યાચકપણું  મટી ગયું ને અયાચકપણું પ્રગટ્યું. આત્મા પ્રાપ્ત થઈ ગયો, હવે રહ્યું બાકી સ્પષ્ટ વેદન. અને એ પ્રાપ્ત થવાને માટે આ આપણો સૂક્ષ્મતમ પ્રયોગ છે, છેલ્લામાં છેલ્લો યજ્ઞ છે. હવે જીવનમાં પ્રમાદ શાને ? ભાવ-ભક્તિ અને આજ્ઞાપાલને પરમાત્મા સાથે અનન્યતા સાધી, અન્યથી મુક્ત થઈ આપણે આપણું મોક્ષનું કામ કાઢી લઈએ એ જ અભ્યર્થના.

જય સચ્ચિદાનંદ.

‘આરતી’, પોતે પોતાના આત્માની

જાગૃતિ, જાગૃતની ભજનાથી જ

પ્રશ્નકર્તા : આપ બોલાવો છો તે મંત્રો, આરતી એ બધું શું છે ? એ બધાની શી જરૂર છે ?

દાદાશ્રી : એવું છે, કે આ જે બોલાવું છું ને, તે પૂર્ણ જાગૃત લોકોના નામ લઈને બોલાવું છું. જે જાગૃત છે તેની ભજના શીખવાડીએ છીએ. જે જાગૃત છે તેને યાદ કરો તો તમારી જાગૃતિ વધે. એમાં જેટલા જાગૃત થઈ ગયા ને જેટલા જાગૃત છે અત્યારે, તેમના નમસ્કાર બોલાવ્યા છે. અને તેમાંય હાલ જે જાગૃત છે તેમની વધારે પડતી વાત છે ને થઈ ગયા તેમની સાધારણ વાત છે. આ નમસ્કાર તો બધા જાગૃતોને રાજી કરે છે, વિનય કરે છે, પ્રેમભાવ કરે છે. આ તો ‘સાયન્ટિફિક’ (વૈજ્ઞાનિક) છે. તે જેવું અહીં બધા કરે છે એવું આપણેય કરીએ તો આપણી ઉપર ‘જ્ઞાની પુરુષ’ રાજી થાય. પોતાનું દોઢ ડહાપણ ઘાલે કે પાછું બગડ્યું. આપણી દુનિયા તો એક છે, પણ એવી બીજી દુનિયા સાથે ‘જ્ઞાની પુરુષ’ના તાર જોઈન્ટ છે. અત્યારે જે સંપૂર્ણ જાગૃત છે તેની જોડે અમે સાંધો મેળવી આપીએ છીએ, અમારાથી થોડેક અંશે વિશેષ જાગૃત છે, તેમની જોડે તમારો સાંધો મેળવી આપીએ છીએ. તે સાંધો મેળવવવાથી તેમની જોડે ઓળખાણ થઈ જાય. 

ના જરૂર આરતીની, ભગવાનને

પ્રશ્નકર્તા :  તો આ  આરતીનું શું મહત્વ છે ?

દાદાશ્રી : આ આરતી ભગવાનની ઉતારે છે એટલે ભગવાન ખુશ થઈ જાય.  કારણ એ એનામાં એનો વિનય ગુણ જુએ છે. એની ભગવાન તરફની  લાગણીઓ જુએ છે. ભગવાનને કંઈ આરતીની જરૂર નથી, ભગવાન તો ભગવાન જ છે.

પ્રશ્નકર્તા : તો આરતી ના કરે તો ચાલે ?

દાદાશ્રી : એમને કંઈ જોઈતી જ નથીને ! ભગવાન કહે છે, તને ચળ આવતી હોય તો કર. ગરજ હોય તો સત્તર ફેરા કર. ભગવાનને શી જરૂર ? ભગવાન તો આખા બ્રહ્માંડના માલિક.

આરતી, પ્રગટ ભગવાનની

પ્રશ્નકર્તા : આપની આ આરતી ઉતારવામાં આવી, તે આપની આરતી કેમ ઉતરાવો છો ?

દાદાશ્રી : ના, એવું નથી આ. આ મારી આરતી નથી ઉતારી, ભાઈ. આ તો ખરેખર મહીં દાદા ભગવાનની આરતી ઉતારી હતી. આ તો મંદિર છે અને દેહ મંદિરમાં ભગવાન બિરાજે છે. એટલે આ રીતે સાચા ભગવાનની પૂજા કરે છે.

હું કહી દઉં કે ભાઈ, મારી આરતી ઉતારી ન્હોતી. આ તો મહીં દાદા ભગવાન પ્રગટ થયા  છે, તેમની આરતી-પૂજા થાય છે.

પૂર્ણ સ્વરૂપ મહીં પ્રગટ થયું તે

આ તમને દેખાય છે તે ‘દાદા ભગવાન’ છે ? ના, ન હોય એ ‘દાદા ભગવાન’, એ તો ‘એ. એમ. પટેલ’ છે, ભાદરણ ગામના છે. ‘દાદા ભગવાન’ તો અંદર પ્રગટ થયા તે છે અને હું તો જ્ઞાની પુરુષ કહેવાઉ, પણ પૂર્ણ સ્વરૂપ નહીં. પૂર્ણ સ્વરૂપ તો મહીં પ્રગટ થયું છે તે.

એમનું સ્વરૂપ શું છે ? જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ એ એમનું સ્વરૂપ છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપના આધારે જે અનુભવમાં આવે છે, તે ‘દાદા ભગવાન’ છે. એવા જ જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપ સ્વરૂપે રહેલા ‘દાદા ભગવાન’ તમારી મહીં પણ બિરાજેલા છે. તે તમે પોતે જ છો!

આ દેખાય છે તે ભગવાન ના કહેવાય. ભગવાન તો મહીં પ્રગટ થયેલા છે, ચૌદ લોકના નાથ પ્રગટ થયા છે, તે નામ દેતાની સાથે જ કલ્યાણ થઈ જાય એવું છે. રોકડું છે આ તો બધું ! લાખો માણસ લાભ ઉઠાવે છે. એટલે અમે આરતી કરીએ રોજ સત્સંગમાં.

આરતી થાય, ખુદ ભગવાનની

પ્રશ્નકર્તા : બધા પ્રસંગે, આ બધે આરતી કરીએ એનો અર્થ શું ?

દાદાશ્રી : આ આરતી તો કામ કાઢી નાખે એવી છે. કારણ કે આ હું તો જ્ઞાની પુરુષ પણ આરતી ખુદ ભગવાનની થઈ રહી છે. આખા બ્રહ્માંડના નાથની થઈ રહી છે. એ કામ કાઢી નાખે એવી છે. એ લોકોને ખબર ના હોય એટલે પૂછે પણ એ જાણ્યા પછી ખબર પડે. ખબર ના હોય એટલે પૂછેને ? આરતી તો, મહીં ભગવાન પ્રગટ થાય એવી આરતી. આખા વર્લ્ડમાં (એવો) એકાદ માણસ હોય ત્યારે આરતી ઉતારે લોકો. બાકી એક્સેપ્ટ (સ્વીકાર) જ ના કરેને ? આખા હિન્દુસ્તાનમાં આપણે ત્યાં જ આરતી ઉતરવાની, ‘દાદા ભગવાન’ની. બાકી કોઈ જગ્યાએ નહીં.

ના હોય આ વ્યક્તિ પૂજા

પ્રશ્નકર્તા : તમારી અમો લોકોએ જે આરતી ઉતારી, તે વ્યક્તિપૂજા આપ કેમ કરાવો છો ?

દાદાશ્રી : ત્યારે કોની આરતી ઉતારવાની ? બીજા કોની પૂજા કરવાની ? 

પ્રશ્નકર્તા : આપણે જેને ભગવાન માનતા હોય એની.

દાદાશ્રી : અરે ! આ તો જાતે શિવ, મહાદેવજી જાતે, રણછોડજી જાતે, જાતે કો’ક દહાડો આવે. તને સમજણ ના હોય ને તે તું બોલું આવું. આ તો જાતે કહેવાય, એ મૂર્તિ ન્હોય. મૂર્તિ તો અમારી બનાવેલી હોય. વ્યક્તિપૂજાનો શો અર્થ તું સમજે છે ? એ વ્યક્તિપૂજા તું સમજતો જ નથી. વ્યક્તિપૂજા એ જુદી વસ્તુ છે. તે આ જ્ઞાની પુરુષની થાય, આવી બુદ્ધિ ના હોય તો, અહંકાર ના હોય તો. બાકી અહંકારીને આમ પૂજા કરીએ તો ઊંચો જ ચડી જાય પાછો. એનો મિજાજ વધી જાય. વ્યક્તિ કોને કહેવાય ? અહંકારી હોય તેને. જે અહંકારી માણસ હોય, બુદ્ધિવાળો માણસ હોય, એની પૂજા કરીએ તો એનો અહંકાર વધતો જાય. અને અમારે તો અહંકાર નહીં એટલે પેણે પૂજા કરે ત્યાં સીધો ફાયદો થઈ જાય. આ વ્યક્તિ ના કહેવાય. હું માલિક જ નથી, ૨૭ વર્ષથી આનો માલિક નથી. પાડોશી તરીકે રહું છું. મારે પૂજા કરાવવાનું રહ્યું જ ક્યાં કારણ તે ?  

સમજાય તો સારું. બેસી જાય ચેકનટ. ચેકનટ ફેરવવાની હોય. તને એમ લાગ્યું કે આ વ્યક્તિપૂજા છે ? આ વ્યક્તિપૂજા ના કહેવાય, આ તો મહીં ભગવાનની આરતી, કારણ ‘હું’ પોતે આનાથી જુદો રહું છું અને આ મંદિર છે. આ તો મંદિરમાં ભગવાનની આરતી કરે છે. આ કો’ક વખત આવું હોય. હોય નહીં ને ? આ તો દસ લાખ વર્ષે આવે છે. પણ સાંભળેલું ના હોયને આવું ? તારા સાંભળવામાં જ આ નવી જાતનું આવેને કે આ નવી જાતનું રામાયણ ! સમજાય નહીં ને ! જો  તને લાગે છે ને, સામાન્ય માણસનું કામ નહીં અહીં ?

પ્રશ્નકર્તા : સામાન્ય માણસનું કોઈ જગ્યાએ કામ નથી.

દાદાશ્રી : સામાન્ય માણસ તો કેટલા બધા ? ચાર અબજ માણસો, એમાં કેટલા કેટલાને કેવો કેવો મોહ છે ? નર્યા મોહથી ભરેલા છે ! એ મોહવાળાનું કામ નહીં. જેનો મોહ ઓગળી ગયો હોય, થોડો ઘણો મોહ રહ્યો હોય તેનું કામ છે. વ્યક્તિપૂજાનો ફોડ થયો તને ?

આરતીથી વિરમે આર્તધ્યાન

પ્રશ્નકર્તા : ના, પણ આરતી ઉતારવાનું કારણ તમારું શું ? આરતી શાથી ઉતારો છો તમે ?

દાદાશ્રી : આરતી તો ભગવાનની ના ઉતારે તો બીજા કોની ઉતારે ? શું કરે ત્યારે, ભગવાનને કહો. તમે કહો એ કરે.

પ્રશ્નકર્તા : આ તો મને ખબર નથી એટલે તો હું પૂછું.

દાદાશ્રી :  પોતાનું આર્તધ્યાન બંધ થાય એટલા હારુ છે. આ આરતી ઉતારશે તેને આર્તધ્યાન નહીં થાય. એક ફેરો આરતીમાં દાદાના દર્શન થઈ જાયને, પછી આર્તધ્યાન ઊડી જાય. આરતીમાં અને પછી ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર’ ગવડાવતી વખતે આ દર્શન તો ખુદ ભગવાન મહાવીરના દર્શન છે.

 આ તો સમજેને તો આરતીમાં દાદાના દર્શન એક્ઝેક્ટ ભગવાન મહાવીરના થાય છે અને મહાત્માઓ આ સમજી ગયા છે એટલે એવા દર્શન કરે છે.

અને અહીંયા આગળ મનુષ્યની આરતી ના ઉતરે ફક્ત જ્ઞાની પુરુષ સિવાય, તે જ્ઞાની પણ બુદ્ધિ વગરના હોવા જોઈએ. બુદ્ધિશાળી જ્ઞાનીઓની આરતી ના ઉતારાય. આરતી તો મોટી વસ્તુ છે. જેટલું થઈ રહ્યું છે ને, એમાં ખોટું કશું નથી.

કલ્પનાતીત પદ, જ્ઞાનીનું

પ્રશ્નકર્તા : તમારી પૂજા કરે છે એવું બહારના લોકોને દેખાયને ?

દાદાશ્રી : બહારના લોકોને તો બિચારાંને, આ આંખે જ જોવાનું ને ? આ આંખ અને બુદ્ધિ. બીજું કશું જોવાનું સાધન નહીંને ? એમને (જ્ઞાની પુરુષને)  ઓળખીએ આપણે, ત્યારે ખબર પડે કે આ કોણ છે ! એમને ભેગાં થવાથી આપણને શું ફળ પ્રાપ્ત થાય ? ત્યારે કહે, ચિંતા કાયમની જાય. પોતે જ ભગવાન થઈ જાય એવી આ જગ્યા છે. આ તો દુનિયામાં કોઈ દહાડો સાંભળ્યું ના હોય, વાંચ્યું ના હોય, વિચાર્યું ના હોય એવું બહુ ઊંચું પદ છે. એટલે એકદમ શી રીતે સમજણ પડે ? એ તો બહુ બુદ્ધિશાળી હોય તોય સમજણ પડે નહીં. અને પાછું બોર્ડ નહીં, બીજે તો બોર્ડ હોય, પાછું ભગવું લૂગડું હોય, ધોળું લૂગડું હોય !

પ્રશ્નકર્તા : હજુ જરાક વ્યકિતપૂજા વિશે ક્લેરિફીકેશન (સ્પષ્ટતા) જોઈએ છે.

દાદાશ્રી : વ્યક્તિપૂજા તો થઈ શકે જ નહીં. પૂજા, આરતી તો કોઈની ઉતારાય જ નહીં. આરતી તો ફક્ત અહીં ભગવાન પ્રગટ થયા છે માટે ઉતારવા દઈએ છીએ, નહીં તો ઉતારી શકાય જ નહીં.

જેને ક્રોધ-માન-માયા-લોભ ના હોય, એની આરતી ઉતારાય. આપણે ગાળ ભાંડીએને, તો ફેણ ના માંડે ને આશીર્વાદ આપે તેની ઉતારાય.

એ છે આત્માની પુષ્ટિનું સાધન

પ્રશ્નકર્તા : તો પછી આ આરતી-પૂજા કરે કોઈપણ ભગવાનની કે દાદા ભગવાનની તો એની શું જરૂર મોક્ષ માટે ?

દાદાશ્રી : એવું છે ને કે મોક્ષ માટે જે કરવામાં આવે છે એ બધું આત્માના પુષ્ટિ માટેનું છે, બીજું કશું છે નહીં. અને તે પાંચ આજ્ઞા આપી છે ને, એની બહાર કશું ના કરે તોય ચાલે. પણ દાદા ભગવાન એ તો જ્ઞાની પુરુષ, એ જ પોતાનો આત્મા છે. માટે એ ‘દાદા ભગવાન’ માટે જે કરો, એ તમારા આત્માનું કર્યા કરો છો. શ્રીમદ્ રાજચંદ્રે શું કહ્યું ? જ્ઞાની પુરુષ એ જ પોતાનો આત્મા છે. એટલે એમનું કહેલું કરો, એમની સેવા-ભક્તિ કરો. જેને કોઈ સેવા જોઈતી નથી, તેની સેવા કરવામાં બહુ ફાયદો. જેને સેવા જોઈતી જ નથી એની સેવા કરવામાં ખૂબ લાભ અને જો જોઈતી હોય તો ભિખારીમાં ખપે. કોઈ પણ જાતની ભીખ ના હોય ત્યારે એ જ્ઞાની પુરુષ કહેવાય. જ્યાં ભીખ ખલાસ થાય ત્યાં ભગવાનની પાવર ઓફ એટર્ની મળી જાય, ભગવાન પદની પાવર ઓફ એટર્ની મળી જાય. એટલે ભગવાન, ત્રણ લોકનો નાથ, દાદા ભગવાન અમને વશ થઈ ગયેલા છે.

ચૂકવો ના લાભ આ અલૌકિક આરતીનો

જેની એક ફેરો આરતી કરવાથી મોક્ષ થાય, એવા જ્ઞાની પુરુષની કોઈ ફેરો આવી આરતી કરીએ એટલે બહુ થઈ ગયું. મહીં ઠરી જાય બધું. આરતી કરે એટલે તમારી પંદર દહાડાની ખોટ હોય તે ભાંગી જાય. એટલો નિયમ છે કે આપણે અહીં બેઠાં હોયને, ત્યાં સુધી ઘેર કશું બગડવાનું નથી.  તમે તો અહીંથી ઘરે સાત વાગે પાછા જાવ તો ચાલે ને ? આરતી કર્યા વગર ના જવાય.

 આજનો એક દહાડો આરતી કરશોને, બહુ થઈ ગયું. પછી અહીં રોજ એક કલાક-બે કલાક લેતા રહેજો લાભ. આ તો ગંગાજીનું પાણી છે. જેટલું ઝબોળશોને, તે જેમ પેલા ગંગાજી દેહનો મેલ કાઢેને, એમ અહીં આગળ મનનો, બુદ્ધિનો બધો મેલ નીકળી જાય.

આપણી આરતી વખતે બહુ દેવલોકો હાજર હોય. હા, અહીં આ કમ્પાઉન્ડમાં બધે હાજર થઈ જાય. હવે એ સૂક્ષ્મ ભેદ બધાને સમજાવો જોઈએ ને ? અને બેસે તો લાભ તો મળે છે ને ? કંઈક અંતર શાંતિ પોતાને સમજાય. આપણી આરતી આખી અલૌકિક છે. લોકમાં હોય નહીં, એવી અલૌકિક હોય. બને તો આરતીનો ખાસ લાભ લેવો.

આરતી, સીમંધર સ્વામીની

પ્રશ્નકર્તા : આપણા મંદિરમાં સીમંધર સ્વામીની આરતી કરવાનું પ્રયોજન શું ?

દાદાશ્રી : હાલમાં જે ભગવાન બ્રહ્માંડમાં હાજર છે, તેમની આરતી આ બધા કરે છે. તે મારા થ્રુ (માધ્યમ દ્વારા) કરે છે ને હું તે આરતી તેમને પહોંચાડું છું. હું પણ તેમની આરતી કરું છું. દોઢ લાખ વરસથી ભગવાન હાજર છે, તેમને પહોંચાડું છું.

પ્રશ્નકર્તા : આપને સીમંધર સ્વામીના દર્શન થયા છે ?

દાદાશ્રી : અમારે સીમંધર સ્વામીની સાથે ને- સાથે જ (અનુસંધાન) રહેવાનું આખો દા’ડો ! અને આ બધાય સીમંધર સ્વામીની આરતીઓ બધું રોજ બોલ્યા જ કરવાના. કારણ કે એ જીવતા તીર્થંકર કહેવાય.

દાદા આરતી ઉતારે, સ્વામીની

અમે એક ફેરો છે તે ત્યાં આગળ પાત્રીસ-ચાલીસ જણ બસમાં ગયેલા. અહીં મહેસાણામાં સીમંધર સ્વામીની આરતી મેં ઉતારી હતી. તે પેલો પૂજારી કહે છે કે દાદાજી, તમે ઉતારો આજ. ત્યારે મેં કહ્યું, અમે ઉતારીશું તો આ બધા અમારી આરતી બોલશે, તમારી આરતી નહીં બોલે. એટલે એ પાછો કહે છે કે અમારી આરતી રોજ બોલીએ છીએ પણ તમારી આરતી બોલો આજ. એટલે પછી સીમંધર સ્વામીની આરતી મારી જાતે ઉતારી’તી અને આપણા મહાત્માઓ હતા બધા, તે પછી આપણી દાદાઈ આરતી બોલ્યા’તા. આપણે અહીં જે બોલાવીએ છીએ દાદાવાળી આરતી ત્યાં બોલાવડાવી. એમની, સીમંધર સ્વામીની સામે અને જાતે મેં મારા હાથમાં થાળી લીધેલી. પછી તો વાત જ શી કરવી ! ‘કોણ કોની આરતી ઉતારે છે’ શું સમજ્યો તું ? આ આરતી ઉતારનારો બ્રહ્માંડનો નાથ છે, માલકી (માલિકી) વગરનો. કોઈ પણ જાતની માલકી ધરાવતો નથી, એવો આ બ્રહ્માંડનો નાથ બેઠો છે.

ને ત્યારે ઝર્યા અમી, પ્રભુ નયનોમાંથી

તે પછી મને તો ખબર પડી ગઈ કે આ સીમંધર સ્વામી ભગવાનના આંખોમાંથી અમૃત બિંદુ ટપક, ટપક થયા કર્યાં. તે મને ખબર પડી ગયેલી, પણ હું બોલું નહીં.

પછી અમે બધા જ્યાં ઉતારો હતો ત્યાં ગયા. પછી પેલો શું કહેવા આવ્યો, પૂજારી ? ‘સાહેબ, આજે તમે શું ચમત્કાર કર્યો કે આ ભગવાનની મૂર્તિમાં બહુ ફેરફાર થઈ ગયો ? કોઈ દહાડોય ભગવાનની આંખમાંથી આંસુ પડ્યું નથી. આજે કેટલા દહાડે આ અહીં પધરામણી થયા પછી, એમની પ્રતિષ્ઠા થયા પછી આજે બન્યું ! શું કર્યું તમે કે ભગવાનની આંખમાંથી નર્યા અમી ઝરે છે ! કોઈ દા’ડો જોયું નથી આજ સુધી. આ તમે આરતી ઉતારી, તે ઘડીએ કંઈક ચમત્કાર કર્યો તમે!

મેં કહ્યું, અમે કશો ચમત્કાર કર્યો નથી. મને કહે છે, શું કર્યું આપે ? પ્રતિષ્ઠા કરી ? મેં કહ્યું, ના ભઈ. અમે પ્રતિષ્ઠા-બ્રતિષ્ઠા કશું કર્યું નથી. પ્રતિષ્ઠા કરવાનો વખત નથી. પ્રતિષ્ઠા કરે તો બને એવું વખતે, પણ પ્રતિષ્ઠા કરી નથી આ. અમે આરતી ઉતારી છે. આ સહજ આરતી ઉતારી એમાં આ બન્યું. ત્યારે કહે છે, અંદરથી મહીં પાણી ઝરે છે. એ મેં જોયું હતું, કહ્યું.

અમે આરતી ઉતારી ભગવાનની. આ તો રોકડું ફળ આપે. મૂર્તિઓ હઉ બોલતી થાય. જ્ઞાની પુરુષ એટલે કેવા ? મૂર્તિઓ પથ્થરની બોલતી થાય એનું નામ જ્ઞાની પુરુષ.

દેવો હાજર થાય આરતી સમયે

પ્રશ્નકર્તા : પણ દાદા, એ અમી ઝરે આંખમાંથી એનું કારણ શું ?

દાદાશ્રી : બધું બને. એ સાયન્ટિફિક નથી, પણ આ દેવોનું કાર્ય હોય છે. અમારી આરતીમાં દેવો હાજર થાય છે, પણ તમને ના દેખાય. દેવો સૂક્ષ્મ રીતે આવે છે અને સૂક્ષ્મ રીતે કાર્ય કરે છે. એમાં વાંધો નથી આવતો. હું નહોતો કહેતો કે ઋષભદેવ ભગવાન અમારી જોડે વાતો કરતા હતા ? ને લોકો ધર્મ તરફ વળે એટલે માટે શાસન દેવો બધુંય કરે. આપણે એક્સેપ્ટ કરીએ.

આરતીમાં બધા દેવો હાજર હોય છે. જ્ઞાની પુરુષની આરતી સીમંધર સ્વામીને ઠેઠ પહોંચે. દેવલોકો શું કહે છે કે જ્યાં પરમહંસની સભા હોય ત્યાં અમે હાજર હોઈએ. આપણી આરતી ગમે તે મંદિરમાં ગાઓ તો ભગવાનને હાજર થવું પડે.

આ આરતી વખતે તમને જે ફૂલા ચઢે છે એ દેવોને અમે ચઢાવીએ છીએ અને પછી તમને તે ચઢાવીએ છીએ. જગતમાં કોઈનેય દેવોના ચઢાવેલા ફૂલા ચઢતાં જ નથી, આ તો તમને જ ચઢે છે. તેમાં દૈવી શક્તિઓ મૂકેલી છે. અત્યારે મન-બન બધું ફેરફાર થઈ ગયું હોય છે તે આરામથી શક્તિઓ મળી રહે. એનાથી મોક્ષ તો રહે ને ઉપરથી તમને સંસારી વિઘ્નો ના આવે.

આશિષ વરસે દાદાના, પુષ્પ વૃષ્ટિ થકી

પ્રશ્નકર્તા : એકેક વ્યક્તિ ઉપર પુષ્પની વૃષ્ટિ કરતા તે વખતે તમે શું કહેતા હો મનમાં ?

દાદાશ્રી : એ દેવલોકોની કૃપા છે. દેવલોકો તે ઘડીએ હાજર હોય છે, આ આરતી વખતે. તે આ અમારા હાથથી ફૂલા પડે ને ! પણ અત્યારે હવે ભઈ શ્વાસોશ્વાસને લઈને બધું ફૂલનું-બૂલનું બધું બંધ થઈ ગયું, નહીં તો ઢગલેબંધ ફૂલો વરસાવતા હતા.

૧૯૭૩માં અમે બધા ૩૮ દિવસની જાત્રાએ ગયેલા. પછી સાંજ થાયને એટલે બધા આરતી કરે પાછા, ભેગા થઈને ‘દાદા ભગવાન’ની, બસમાં ને બસમાં જ.

સાંજ પડી કે આરતી ચાલુ થઈ જાય. પછી ફૂલા ક્યાંથી લાવે તે બસમાં ? ફૂલા ના હોય, એટલે એ આરતી કરે અને ફૂલા નાખવાના ને, તે ફૂલા ના હોય ત્યારે ભાવ ફૂલા નાખવાના. હાથમાં કશુંય ના હોય અને હોય તો પેલા માથે હાથ ફેરવીને ફૂલો નાખતા હતા. આ જાત્રા તો જોવા જેવી હતી.

કષાયરૂપી મળ નીકળે આરતીથી

આ આપણે આરતી કરીએ છીએ ત્યારે હાસ્ય જોયેલુંને જ્ઞાની પુરુષનું, તે ડૂંટીનું હાસ્ય છે. હાસ્ય તો ડૂંટીએથી ફૂટવું જોઈએ. આ તો અહીં ગળામાંથી જ હસે છે, તેનું શું કારણ ? મહીં મળ ભરાઈ રહેલા છે તેથી. તે આરતીમાં બધા મળ નીકળી જાય. આ આરતીમાં હાસ્ય ખૂલે એટલા માટે હું રસ્તો કરાવડાવું છું. તે તમારી મહીંથી બધો મેલ નીકળી જાય અને આ નળી જો ચોખ્ખી થઈ જાયને તો ડૂંટીનું હાસ્ય થાય એટલા માટે આ કરાવું છું. ફક્ત આ આરતી વખતે તમારું ખુલ્લું કરાવવા માટે કરીએ છીએ. એકદમ મહીં ડચૂરો ભરાઈ ગયો હોય ને નળીમાં, તે ડૂંટીએથી ડચૂરો નીકળી જાય ધીમે ધીમે, અને ડચૂરો નીકળ્યો એટલે પછી તમારે હાસ્ય ઉત્પન્ન થશે. ડૂંટીનું હાસ્ય જેનું થયું એ ભગવાન થઈ ગયો. બધાના હાસ્ય કષાયોથી સ્થંભિત થઈ ગયેલા હોય.

કર્મ રહિત હાસ્ય, તીર્થંકર ભગવાનનું

કોઈ કાળે મુક્ત હાસ્ય જોવામાં ના આવ્યું હોય, તીર્થંકર સિવાય. તીર્થંકર સિવાય કોઈ મુક્ત હાસ્યવાળા પુરુષ ન હોઈ શકે. મુક્ત હાસ્યને જોઈએ તો જ આપણને હસવું આવે, નહીં તો આવે નહીં. તે ઘડીએ ભૂલી જઈએ જગત. એ હસવું આવે તો ઘણા બધા કર્મ ઉલ્લાસમાં ઊડી જાય. એટલા માટે અમારે આ નાચગાન કરવું પડે છે ને, ‘દાદા ભગવાનના...’, એના ઉલ્લાસમાં આવીને તમારા કેટલાય કર્મ ધૂળધાણી (થઈ જાય).’ કારણ કે કોઈ દહાડો હાસ્ય ઉત્પન્ન ના થાયને ? બધાને હાસ્ય ઉત્પન્ન ના થાય. મહીં બે જણને હાસ્ય ઉત્પન્ન થાય, બે જણ મૂંજી મોઢું દેખાયા કરે. આ તો બધાને ઉત્પન્ન થાય. એક તીર્થંકર સિવાય કર્મ રહિત હાસ્ય ના હોય, તે આ કાળમાં ઊભું થયું છે. આ જ્ઞાની પુરુષને જ્યારે જુઓ ત્યારે, રાતે બે વાગેય એમનું એક જ પ્રકારનું હાસ્ય હોય. જ્ઞાની પુરુષ અને અક્રમ વિજ્ઞાન છે તે કામ કાઢી નાખે એવું છે. બધા કર્મો ભસ્મીભૂત કરી નાખે એવું છે. સર્વસ્વ કર્મ ભસ્મીભૂત કરે એવું છે એ. એટલે એ આરતીનું જે ફળ છે ને, તે બહુ મોટું છે.

જ્ઞાની વર્તે સદા વીતરાગ

પ્રશ્નકર્તા : દાદા, જ્યારે આરતી થતી’તી, ત્યારે એક-બે વખત તમે આમ અંદર ઉતરી જતા’તા, એનું શું કારણ ?

દાદાશ્રી : ના, ના, વીતરાગતા જ હોય. મહીં શું જુએ ? અંદર તો બધા આ ડૉક્ટરો કાપે છે ને જે દેખાય, એ દેખાય મહીં. મહીં બીજું શું જોવાનું ?

જોવાની છે વીતરાગતા. તે પેલો ઊંધું બોલે તોય દ્વેષ નથી, છતું બોલે તોય રાગ નથી.

‘હું’, અત્ર-તત્ર-સર્વત્ર

પ્રશ્નકર્તા : અમે બધા તમારી આરતી ગાતા હતા, તે વખતે તમે કોનું ધ્યાન કરતા હતા ?

દાદાશ્રી : મારે (એવું લૌકિક) ધ્યાન હોય નહીં. અમારું ધ્યાન, આ બધામાં ‘એક જ’, એ ધ્યાન અમારું. બીજું આ ન્હોય એ ન્હોય અને છે એ છે. મારે તો આ જગતમાં જીવમાત્રમાં ‘હું છું’ એવું ધ્યાન હોય. મારે આ બધું ‘હું જ છું, હું જ છું, હું જ છું’ એ ધ્યાન હોય. અમારે બીજું કોઈ ધ્યાન ના હોય. જુદો નથી એ, હું જ છે બધે.

આ તો બુદ્ધિથી જુદો લાગે છે. બુદ્ધિ ખલાસ થઈ ગઈ એટલે એક જ છે. જેમ લગડીઓ બધી જુદી જુદી હોય, ત્યારે એ સોનાની લગડીઓ કહેવાય અને ઢગલો કર્યો હોય તો સોનું કહેવાય.

 પ્રશ્નકર્તા : દાદા, લગભગ પંદર મિનિટ ચાલી આરતી અને અમે આરતીની દરેક લીટીમાં તમારા મુખના પરિણામ દેખાતા’તા, તેનું શું કારણ?

 દાદાશ્રી : એ બધા જોડે એકતા-અભેદતા થઈ ગઈ હોય. આ અહીં બધા છે એટલા જ નહીં, બધા આખા જગત જોડે અભેદતા. બુદ્ધિનો છાંટો મારામાં છે નહીં એ જાણો છો તમે ? બુદ્ધિ હોય ત્યારે ભાંજગડ થાયને ? જુઓને, તમારે બુદ્ધિ છે તે કેટલી ભાંજગડ કરે !

અવસ્થા ભિન્ન ભિન્ન શા કારણે ?

પ્રશ્નકર્તા : ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો’ તથા આરતી વખતે આપ જે દ્રષ્ટિ આપો છો, તે અવસ્થા અને આપ સત્સંગ કરતા હો તો એ અવસ્થામાં ફેર ખરો ?

દાદાશ્રી : ફેર ખરો, એમાં ઘણો ફેર.

પ્રશ્નકર્તા : એટલે શું ફેર, દાદા ?

દાદાશ્રી : હું આરતીમાં હંડ્રેડ પરસેન્ટ (સો ટકા) શુદ્ધ થઈને બેસું છું. તે ^વખતે અમે ભગવાનમાં એકાકાર હોય અને અત્યારે (સત્સંગ કરીએ ત્યારે) જુદા હોઈએ. અત્યારે આ ટેપરેકર્ડ વાગે છે ને એના જ્ઞાતા-દ્રષ્ટા તરીકે રહીએ.

આરતી, ‘વ્યવહાર’-‘નિશ્ચય’થી

વ્યવહારથી આરતી ઉતારાય.

પ્રશ્નકર્તા : વ્યવહારથી ?

દાદાશ્રી : ત્યારે વ્યવહારથી જ ને, બીજું શું ? નિશ્ચયમાં તો આરતી જ હોતી નથીને !

પ્રશ્નકર્તા : એટલે અમે તમારી આરતી ઉતારીએ તેય વ્યવહારથી ?

દાદાશ્રી : તમારે નિશ્ચય, મારે વ્યવહાર.

પ્રશ્નકર્તા : એવું કેમ, દાદા ?

દાદાશ્રી : તમારે તો હજુ નિશ્ચય પૂરો કરવાનો છે. તમારે હજુ તો સહારાનું રણ ઓળંગવાનું છે અને હું તો ઓળંગીને બેઠો છું.

જ્ઞાનીની જેવી લેષ્યા તેવી પરિણતિ

પ્રશ્નકર્તા : દાદા, તમારે આરતીમાં શુક્લધ્યાન હોય, લેષ્યા નહીં ?

દાદાશ્રી : ધ્યાન શુક્લ હોય, લેષ્યા નહીં. લેષ્યા ફક્ત બહુ ત્યારે પીત ને પદ્મમાં રહ્યાં કરે. પીતમાં ઘડીવાર હોય, ઘડીમાં કો’કવાર પદ્મમાં જાય. શુક્લમાં સંપૂર્ણ ના આવી શકે. શુક્લમાં તો અમારી કોઈ કોઈ વખત આવે, નહીં તો અમારી પદ્મ જ હોય.

પ્રશ્નકર્તા : તે વખતે પ્રકાશ જેવું થાય તમને ? શુક્લ લેષ્યા હોય ત્યારે પ્રકાશમાન લાગે ?

દાદાશ્રી : હા, લાગે, લાગે ત્યારે એ પ્રકાશ. અમે શુક્લ લેષ્યામાં હોય ને, ત્યારે બધું તમને જુદી જાતનું દેખાય.

પ્રશ્નકર્તા : અમનેય ?

દાદાશ્રી : હા, તમને દેખાય બધું.

લેષ્યા એટલે શું એ તમારી ભાષામાં તમને સમજાવું. તમારે ત્યાં સર્વિસે કોઈ ગોરો છોકરો હોય ને એણે ચોરી કરી તો એનું મોઢું કાળું પડી જાય. એ ખ્યાલ આવે ? હા, એ લેષ્યા. જ્ઞાની પુરુષને ખબર પડે પણ તમને ખ્યાલ આવે બુદ્ધિથી કે કાળું (પડી ગયું છે)  નીચેની લેષ્યાઓ તો ખૂંચે. આપણે છ પ્રકારની લેષ્યાઓ. કૃષ્ણ, કપોત, નીલ, પીત, પદ્મ, શુક્લ. આ છ પ્રકારની લેષ્યામાં જીવમાત્ર હોય.

આ કાળમાં શુક્લ લેષ્યા ના હોય પણ આ તો ‘અક્રમ’ છે એટલે છે. તે આરતી કરીએ તે ઘડીએ અમારે શુક્લ લેષ્યા હોય. અમુક અમુક ટાઈમે હોય. આ અમારી છે તે પેલી ગુરુપૂર્ણિમા ઉજવી હોય ત્યારે આખો દહાડો શુક્લ લેષ્યા હોય.

સત્સંગમાં પદ્મ લેષ્યા હોય પણ આરતીના એટલો જ ટાઈમ શુક્લ લેષ્યા હોય. તેટલા માટે આરતી માટે કહીએ છીએને !

અહીં આવી રીતે બેઠા હોય, તે ઘડીએ પાંચમી લેષ્યા થોડા ઘણા વખત પછી દેખાય. લેષ્યા અહીં આવીને બેઠા પછી ચોથીયે હોય ને પાંચમીય હોય. ઘણી વખત પાંચમી થાય, તે ઘડીએ ખૂબ આનંદ તમને પ્રગટ્યો હોય. તે એવું કોઈ દા’ડો પ્રગટ્યો નથી ?

પ્રશ્નકર્તા : દાદા, મહીં આનંદ તો અહીંયા તમારી હાજરીમાં તો ચિક્કાર પ્રગટે છે.

દાદાશ્રી : પણ ચિક્કાર એટલે પાછો ચિક્કારમાંય પાછો ચિક્કાર થાય. આવ્યા ત્યાંથી ચિક્કાર ખરો પણ તે તો કેવી ? ચોથી. અને જ્યારે ચિક્કાર થાય ત્યારે પાંચમી.

તેથી તો કવિએ ગાયું છે કે ‘આરતી ને વિધિ વેળા પૂર્ણ પદ મળો.’ તેમાંય આ અહીં આગળ ચોથી-પાંચમી. લેષ્યા એની મેળે વધ્યા જ કરે છે. આ આરતીમાં તમારી લેષ્યાએ બહુ ઊંચે ચઢી જાય. મારે શુક્લ થાય ત્યારે તમારે પીતમાંથી પદ્મ થાય.

ઉપરની લેષ્યાઓ એ ટચ ના થાય એકદમ જલદી ને એ ઉપરની ત્રણ લેષ્યાઓ ટચ થઈ તો મોક્ષ નજીક આવ્યો જાણજો.

ભગવાનની શુક્લ લેષ્યા જોવા જેવી હોય, એવી કે જોઈએ તો ત્યાંથી ખસવાનું મન ના થાય.

લેષ્યા તો, ક્યાં ભગવાનની લેષ્યા ! છઠ્ઠી લેષ્યા ! કો’કવાર અમે ચાખીએ છીએ, ત્યારે સમજાય ભગવાનને કાયમ રહેતું હશે તે એ ગાદી કેવી ? તમે પાંચમી ચાખો તો કેવો આનંદ થાય છે ? તો દાદા પાંચમીમાં કાયમ રહેતા હશે, ત્યારે કેવું હશે ?

પ્રશ્નકર્તા : અંતર સુખ ઘણું રહે.

દાદાશ્રી : ત્યારે અમને આ છઠ્ઠી આવે કો’ક દા’ડો, ત્યારે અમને એમ લાગે છે કે હવે તો ફેરફાર થઈ ગયું.  એ વાત જ જુદી હોય. એ લોહી જુદું, વાત જુદી, વાણી જુદી, મન જુદું, વર્તન જુદું, પરિણતિ જુદી.

ઉપયોગ હોવો ઘટે, આરતી-સત્સંગમાં જ

પ્રશ્નકર્તા : આપણે સામૂહિક રીતે પદ ગાતા હોઈએ, ત્યારે અમુક લોકો ગાતા હોય અને કેટલાક લોકો વાતો કરતા હોય, તો એ વિરાધના થઈ કહેવાય ને ?

દાદાશ્રી : એ છે તે જ્ઞાનની વિરાધના કહેવાય. સત્સંગની વિરાધના કહેવાય. એ વિરાધના ખોટી કહેવાય. એકંદરે એ દર્શનને ના રોકે પણ તોય ખોટું કહેવાય એ. એ વાતો-બાતોમાં ના પડવું જોઈએ. અહીં સત્સંગમાં આવ્યા એટલે બીજી ભાંજગડમાં નહીં પડવું જોઈએ.

પ્રશ્નકર્તા : એટલે કાલે જે અહીં પ્રતિક્રમણ કરવાનું છે એ આવી વિરાધનાઓનું પ્રતિક્રમણ કરવાનું છે ?

દાદાશ્રી : હા, તે કરવાનું. કારણ કે સત્સંગમાં આવું-તેવું ના હોય. ગાતા હોઈએ તે ઘડીએ ગાતા હોય. પછી આપણે ના બોલવું હોય તોય, ધીમેથી બોલીએ. પણ એમાં ભળતા રહેવું, એનું નામ ગાયું કહેવાય. બીજામાં ભળીએ એ વિરાધના થઈ કહેવાય.  આરતી વખતે કંઈક આડા-અવળું કર્યું હોય તો વિરાધના થઈ ગઈ.

પ્રશ્નકર્તા : હા, આરતી વખતે પણ ઘણા લોકો એવી રીતે વાતો કરે.

દાદાશ્રી : એવું ના હોવું ઘટે.

એ વિરાધના ધોવાય, પ્રતિક્રમણથી

એ સમજાયુંને તને ? હવે કોઈ વિરાધના ફરીથી કરીશ નહીં આજથી. આ અહીં આજ સુધી કરી તેની માફી માગી લેજે. શી રીતે માંફી માગીશ ? આ દાદાને યાદ કરજે. આ દાદાનું મોઢું યાદ રહે છે ને તને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તે ઘેર સૂતી વખતે દાદાનું મોઢું યાદ કરીને, કે દાદા, મેં ત્યાં આગળ આરતીમાં વિરાધના કરી હતી તે મારી ભૂલ છે. તે મારી જવાબદારી પર કરી હતી. તે મારી જવાબદારીથી હું આ માંફી માગી લઉં છું. હવે મને છૂટો કરી દો, તો તું છૂટો થઈ જઈશ.

એ વિરાધના હું તમને નાશ કરી આપીશ, પણ અહીંની વિરાધના કરેલી એનો કોઈ નાશ કરી શક્યો નથી. પણ છોડાવનાર જોઈએ ને પાછો ? સમજાયું તમને ?

વિરાધનાથી નુકસાન કોને ?

આ તો કેટલી વિરાધનાઓ થાય ! આ અહીં આરતી થાય, તો ત્યાં પેલો ગપ્પા મારતો હોય. તેં બહુ વિરાધનાઓ કરી છે, તે હું જાણું ખરો કે આમને માર લાગવાનો માર ખઈ ખઈને ઠેકાણે આવશે આમનું. બહુ ભયંકર વિરાધનાઓ કરી છે. તે અહીંયા આરતી થતી હોય ને ત્યારે ગપ્પા મારે બધા ને બોલાવે ત્યારે તો આરતીના દર્શન કરે. તે હું જાણું કે આ ઉશ્કેરાઈને,  ખંડઈ ખંડઈને પણ સીધો થશેને. હું એ આશમાં બેઠો છું ને એટલે વઢીએ નહીં, બળ્યું.

આરતી સમયે રહેવું અલિપ્ત, વ્યવહારથી

પ્રશ્નકર્તા : દાદા, એટલે અહીં આરતી થતી હોય તો, બધાએ આરતીમાં જ મન રાખવું જોઈએ ને વાતો નહીં કરવી જોઈએ ને ?

દાદાશ્રી : વાતોય નહીં. કંઈક થતી હોય, કો’ક વાત આપણને પૂછે, તો આપણે તે ઘડીએ વાત ના કરીએ તેય ખોટું કહેવાય. તે એની જોડે સહેજ વાત કરી લઈને પછી આપણે કહેવું, આરતીમાં આમ... આરતી પૂરતું જ ધ્યાન, વ્યવહારિક બધું પછી.

પ્રશ્નકર્તા : પણ ડિસ્ટર્બ (પરેશાન) કરે તે કંઈક ચાલતું હોય ? પદ ગવાતું હોય તો એમની  સાથે વાતો કરવા બેસી જાય.

દાદાશ્રી : એમને પાછું એવું ગમતું હોય તો જ આવું કરે ને ? મને કેમ નથી કરતા ? એ જાણે કે દાદાને બરોબર સારું લાગતું નથી, એટલે બીજે દહાડે બંધ કરી દે. એટલે ગમતું હોય તો જ આ બધું જગત ચોંટે. નહીં તો કોણ જગતમાં ચોંટે ? આપણને પોતાને ગમતું હોય તો જ ચોંટે, નહીં તો કોઈ ચોંટે એવું નથી.

ઘરે પણ અવશ્ય કરવી આરતી

પ્રશ્નકર્તા : ઘેર આરતી કરીએ તેનું મહત્વ શું ?

દાદાશ્રી : આરતી કરીએ એનું મહત્વ બીજું કંઈ નહીં, આરતીનું ફળ મળે તમને. આરતીનું ફળ અહીં મારી હાજરીમાં જે મળે ને, એવું ફળ કોઈ જગ્યાએ ના મળે. પણ પેલું તો આપણું ગોઠવણીવાળું. પણ તોય આરતીનું ફળ બહુ ઊંચું મળશે, ઘરે કરશે તોય.

પ્રશ્નકર્તા : તમારી પાસે બહુ આવતા ના હોય અને ઘેર ભક્તિ કરતા હોય, તમારી આરતી કરતા હોય રોજ, તો લાભ મળે ?

દાદાશ્રી : એ તે બધું લાભ મળે.

અહીંયા સંભારો ને ત્યાં પહોંચે એમને

એટલે આ તમને ટાઈમ મળે ને તો સદુપયોગ કરજો વહેલા-મોડા પણ. હું નથી હોતો તોય અહીં આગળ આરતી-બારતી બધું થાય છે. તે નથી હોતો તો આ દેહ એકલો જ નથી હોતો, બીજા સ્વરૂપે હું હોઉ છું જ અહીં આગળ. એટલે આપણે આમ દર્શન કરીએને, એ પહોંચી જાય છે.

આ દાદાની આરતી પંદર ક્ષેત્રોમાં તીર્થંકરો સુધી, પંચ પરમેષ્ઠિ ભગવંતો સુધી પહોંચે છે. આ આરતીથી તો મુશ્કેલી આવે તો કહેજો, ના આવે.

ફાયદો રોકડનો, ના ઉધારી

એટલે ધીસ ઈઝ ધ કેશ બેન્ક (આ રોકડી બેંક છે.) તમારે ઉધાર જોઈએ કે કેશ જોઈએ ?

પ્રશ્નકર્તા : કેશ જોઈએ.

દાદાશ્રી : આ કેશ બેન્ક છે. અત્યાર સુધી પેલી ઉધારી બેન્કો છે ને, તે લોક કંટાળી ગયું છે. આ રોકડું મળે એ જોઈએ છે ને ? તે આ બધું રોકડું છે, તે તરત ફળ મળે. એટલે આટલું કરજો એટલે તમારું મન એકાગ્ર ને આખો દિવસ શાંતિ સારી રહેશે. અને જેટલું વધારે કરશો એટલું વધારે ફાયદો. જેટલો વધારે ટાઈમ મળે એ બધો આમાં ઘાલવો. નોકરી કરતા હોય તો નોકરી કરવી અને બીજો બધો ટાઈમ આમાં કાઢવો.

આરતીથી મળે ઊંચા સંસ્કાર

ઘેર રોજ આરતી કરશોને, એટલે કશું બહારનું વાતાવરણ ના પેસે. બહાર તો કળિયુગનું વાતાવરણ, દુષમકાળનું, તે પેસે નહીં આપણા ઘરમાં. આ આરતીમાં એટલો સ્વભાવ છે કે આખો દહાડોય દુષમકાળનું વાતાવરણ ના પેસવા દે.

એટલે બધાએ ગોઠવી દીધેલું બધું. આખો દહાડો દૂષિત વાતાવરણ ઊભું ના થઈ જાય. જેને ત્યાં આ ‘દાદા’ની આરતી ઉતરે તેને ત્યાં તો વાતાવરણ જ બહુ ઊંચું વર્તે. આરતી એ તો વિરતિ છે ! જેને ઘેર આરતી થાય એને તો ઘેર વાતાવરણ આખું જ ફેરફાર થઈ જાય. પોતે તો ‘શુદ્ધ’ થતો જાય ને ઘરના બધાં છોકરાંનેય, બધાંનેય ઊંચા સંસ્કાર મળે.

આરતીમાં સમાયા લાભ અનેક

પ્રશ્નકર્તા : આ નાના છોકરાં પૂછે કે આરતી શા માટે કરીએ છીએ તો એમને શું જવાબ આપીએ ?

દાદાશ્રી : આરતી કરવાથી બધી ઈચ્છાઓ પૂરી થાય. અને આરતીમાં શું ફાયદો થાય છે, એ આરતી બોલે તોય ખબર પડે એવી છે. આરતીમાં બધું લખેલું છે. તે વાંચી નહીં હોય આરતી ? એમાં બધું લખેલું છે. સમજણ પાડજે. આરતીમાં તો બધો બહુ લાભ મળે. ચિંતા-બિંતા બધું જતું રહે.

પ્રશ્નકર્તા : એ લોકોને સમજાવાનું બહુ મુશ્કેલ છે. આપણે કરતા આવ્યા છીએ તો કરીએ છીએ પણ છોકરાઓ બહુ પ્રશ્ન પૂછે.

દાદાશ્રી : છોકરો પૂછે તેને જવાબ આપવો જ પડે, ચાલે નહીં, પણ પછી સમજ્યા પછી એ લોકો આરતી કરે છે, એવી બીજા કોઈ કરતા નથી. પછી એ પકડ છોડતા નથી. ત્યાં આ લોસ એન્જલસમાં હવે છોડતા નથી છોકરાંઓ.

પ્રશ્નકર્તા : પ્રસાદ કેમ કરો છો, થાળ કેમ ધરાવો છો એ બધું પૂછે છે છોકરાંઓ.

દાદાશ્રી : હા, પૂછેને બધુંય. અને એટલી સમજણ છેત્યારે પૂછે છે ને ! નહીં તો અણસમજણવાળા શું પૂછે ? પહેલાના છોકરાં પૂછે જ નહીં. પૂછે એવા જ નહોતા. આ તો સ્માર્ટ (હોશિયાર) છે.

પ્રશ્નકર્તા : એ શાથી કરવાનું ? પ્રસાદ ને થાળ શાથી ધરાવાનું એ સમજાવો.

દાદાશ્રી : આપણી બધી ડિફિકલ્ટિ (મુશ્કેલી) ખલાસ થઈ જાય. આ વ્યવહારમાં ડિફિકલ્ટિ આવતી હોય ને, એ બધી ખલાસ થઈ જાય. આપણે સંસારમાં ડિફિકલ્ટિ ફાવે નહીં ને પોષાય નહીંને ! અડચણો આવતી હોય તો પોષાય નહીંને ! તે અડચણો બધી દૂર થઈ જાય.

બાળકોને સામેલ કરો આરતીમાં

હવે ધીમે ધીમે આરતી બધાને ત્યાં ગવડાવી દેવી. એટલે એમને ઘેર છોકરા-છોકરી બધા સંસ્કારી થાય અને કંઈક નવું વાતાવરણ ઊભું થાય.

નાના છોકરાં-છોકરીઓને સમજાવવું કે સવારે નાહી-ધોઈને ભગવાનની પૂજા કરવી ને રોજ ટૂંકામાં બોલવું કે ‘મને તથા જગતને સદ્બુદ્ધિ આપો, જગતકલ્યાણ કરો.’ આટલું બોલે તો તેમને સંસ્કાર મળ્યા કહેવાય અને મા-બાપનું કર્મબંધન છૂટ્યું. બીજું, છોકરાંને આ તમારે ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો’ રોજ બોલાવવા જોઈએ. હિન્દુસ્તાનના છોકરાં એટલા બધા સુધરી ગયા છે કે સિનેમામાં જતા નથી. પહેલા બે-ત્રણ દહાડા જરા વાંકા-ચૂકાં થાય, પણ પછી બે-ત્રણ દહાડા પછી રાગે પડ્યા પછી, મહીં સ્વાદ ઉતર્યા પછી એ જ ઊલટાં સંભારે.

આરતીથી થાય સંસ્કાર સિંચન

માટે આ આરતીનું ગોઠવી દેજો. આ બધું આરતીનું ગોઠવેલું હોય ને આપણે જેવી અહીં બોલીએ છીએ ને, એવી આરતી બોલે તો છોકરાં સંસ્કારી થાય. છોકરાંને સંસ્કારી કરવા એ આપણી ફરજ છે. કારણ કે છોકરાંના સંસ્કારને માટે આપણે બંધાયેલા છીએ, બેજવાબદાર નથી. આપણે ત્યાં જે છોકરાં થયા, એને માટે બેજવાબદારી નથી. આનાથી એમને સંસ્કાર મળેને. છોકરાંને સંસ્કારી બનાવવા અને એ છોકરાંને આમાં ઈન્ટરેસ્ટ (રસ) પડી જાય છે. આ બધે આરતીઓ ચાલુ છે ને, તે છોકરાંને બહુ ઈન્ટરેસ્ટ પડી જાય છે.

અને આરતીમાં છોકરાં-છોકરી બધાં ઊભાં રહે. ઘરના બધા છોકરાં આવડાં-આવડાં બહુ મજા કરે ને લોકો કહે તે પાડોશીના છોકરાં હઉ આવે છે. આ આરતી થતાની સાથે જ એ વાતાવરણ જ આ બધું નવી જાતનું ઉત્પન્ન થઈ જાય.

આરતી ગોઠવાઈ ગયેલી હોય ને, તો આખો દહાડો છોકરાં બધામાં કંઈક ફેર પડી જાય ! એ છોકરાંના મન સારાં રહે પછી. અને અકળાયેલા છોકરાં હોય ને, તે છોકરાંને શું ? આ તાપ, અકળામણ અને બહારના કુસંગ. તે કુચારિત્રના જ વિચાર આવ આવ કરે. એમાં આપણું આ છે ને, તે ઠંડક આપે. તે પેલા વિચાર ઉડાડી મેલે. બચાવવાનું સાધન છે આ, બહુ સુંદર છે.

થાય વાતાવરણ પવિત્ર, આરતીથી

આ આપણી આરતી એ તો એક મુખ્ય સાધન છે. એનાથી એમને જે મહીં બળતરા છે ને, તે શાંત થાય છે. એટલે બહાર જવાની બૂમાબૂમ કરતા નથી. પછી એમને આ વિષયો ભણી ચિત્ત નથી જતું. એટલે છોકરાં બધાં રેગ્યુલર થઈ જાય ને ડાહ્યાં થઈ જાય ! બીજે દહાડે બહાર ફરવા જવાનું કહેતો હોય ને, તો કહે, ‘આપણે પેલું બોલો, પેલું બોલો.’ એવું કહે. ફરવા જવાનું રહેવા દે અને સંસ્કાર પડે અને મોટાઓનેય ક્લેશ ના થાય. ઘરમાં એક જ ક્લેશ થાય તો વાતાવરણ આખુંય બગડી જાય. પણ આ આરતી એ પ્રતિપક્ષી કહેવાય, તેનાથી શું થાય ? વાતાવરણ સુધરી જાય અને ચોખ્ખું-પવિત્ર થઈ જાય.

વરસે નિત કૃપા-આશિષ, દેવલોકના

એટલે કેટલાકે ઘરમાં એવું નક્કી કરેલું કે આપણે સાંજે જમ્યા પછી બધા છોકરાં-બૈરી અને ધણી બધા સાથે બોલવું, આપણી ‘વિધિ-આરતી-અસીમ જય જયકાર હો’ એ બધું. કેટલાક તો બે વખત કરે છે, સવારમાં ને સાંજે.

પ્રશ્નકર્તા : દાદા, અમારા ઘરના તો બધા બોલે આરતી-વિધિ બધું રોજ.

દાદાશ્રી : પાંચ-સાત લાખ માણસ બોલતું થઈ જાય તો બહુ થઈ ગયું. પછી એમના છોકરાં હઉ બોલે ને એ આરતી-વિધિ બધું કરે. એટલે આખો દહાડો ઘરના બધા માણસ પરમાનંદમાં રહે છે.

આ આરતી બરોબર બોલાયને તો ઘેર દાદા હાજર થાય. અને દાદા હાજર થયા એટલે બધા જ દેવલોક હાજર થાય અને બધા જ દેવલોકોની કૃપા રહે. આરતી તો ઘેર નિયમિત બોલાય અને એને માટે અમુક ટાઈમ નક્કી કરી રાખવો તો બહુ જ સારું.

આરતી-વિધિ એ બહુ મોટું સાધન, અક્રમનું

આ આપણી આરતી અજ્ઞાનીનેય પણ જબરજસ્ત ઠંડક આપનારી છે. માટે આરતીની ગોઠવણી કરી દેવી. અહીં જેવી રીતે બોલીએ છીએને, એ રીતે દહાડામાં એક વખત તો અવશ્ય આરતી કરવી.

પ્રશ્નકર્તા : દાદા, હવે અમે આરતી-વિધિ બધું કરીએ છીએ ત્યારે બીજા લોકો બધા એમ કહે છે કે તમે અક્રમ કહો છો, પણ વિધિ કરો છો, આરતી કરો છો, આ બધું નમસ્કાર બોલો છો, તે આ તો ક્રમ નથી ? ક્રમિકનું જ થયું ને ?

દાદાશ્રી : એ અક્રમના સાધન છે. ઘેર આરતી કરવી એટલું તો સાધન રાખવું જોઈએ ને ? નથી શાસ્ત્ર વાંચવાના સોંપ્યા, નથી ઉપવાસ કરવાનું કહ્યું, નથી તપ કરવાના કહ્યા, તો કંઈ સાધન તો હોવું જોઈએ ને ? ક્રમ વસ્તુ તો બધું ખપાવતાં ખપાવતાં આગળ જવાનું.

પ્રશ્નકર્તા : હા, એ તો ચર્ચા થાય આ, તો એ અમે કહીએ પણ લોકો માને નહીં એવું. એ કહે, તમે અમારા જેવું જ કરો છો ને ત્યારે ?

દાદાશ્રી : એ પણ એવું સમજાય નહીં ને ! આ વિધિઓ-બિધિઓ કરો કે તમે અત્યારે ખાવો-પીવો, હું કહું એ ને જે જે કરો, તે કંઈ ક્રમ ગણાતો નથી.

ક્રમ એટલે તો આગળનો સ્ટડી, જે અત્યારે છે, જ્યાં અટક્યા છીએ, ત્યાંથી આગળ સ્ટેપ બાય સ્ટેપ જવું. એટલે પહેલું જાણવામાં આવે વાત, પછી શ્રદ્ધા બેસે, પછી વર્તનમાં આવે. શ્રદ્ધા બેસે, એવું પગથીયે પગથીયે થતું થતું થતું થતું આ ‘હું શુદ્ધાત્મા છું’ સ્થિતિએ આવો, એ ક્રમિક.

એ તો એમને ક્રમિકમાં એમ લાગુ થાય અને આ તો કરોડો અવતારેય ના પામે એવી વસ્તુ આ અક્રમ તો.

આ આરતીની કિંમત જ અનેરી

આ જ્ઞાની પુરુષની આરતી એ તો ગજબની આરતી છે. એ તો વસ્તુની કિંમત ઝવેરીના હાથમાં આવે તો થાય. આવી આરતી તો કોઈ દહાડો દુનિયામાં એણે જોઈ ના હોય એવી આરતી થાય છે.

આખું બ્રહ્માંડ પ્રકાશમાન થાય એવી આ આરતી થઈ રહી છે. ઠેઠ કેવળજ્ઞાનીઓ દેખે, તીર્થંકરો દેખે એવી આ આરતી થાય છે. ત્યાં રહ્યા રહ્યા દેખે એવી આ આરતી થાય છે. એમનું લક્ષ બેસે પછી એનો લાભ ના ઊઠાવીએ તો પછી શું થાય ?

આ આરતી અનંત અવતારના રોગોને નાશ કરનારી, એવી અજાયબ આરતી છે !

અમારી આરતીથી તમામ જાતની માટી ઓગળી જાય. પણ જે ના ઓગળે તે સમજી જવું કે આ માટીની જાતિનો ન્હોય. કાળો પત્થર છે એમ સમજી જવું.

પ્રશ્નકર્તા : આ આરતી અને જે વિધિ થાય, તે બીજા અવતારમાં, એક અવતારનું અનુસંધાન છે ?

દાદાશ્રી : આવતા અવતારનું એનું અનુસંધાન કરી આપું છું કે તમને આ બધો સત્સંગ પ્રાપ્ત થાય. અત્યારથી જ બધું ગોઠવાયેલું છે. કારણ કે કોઈને એક કે કોઈને બે અવતાર, કોઈને ત્રણ હોય. કોઈને એક જ હોય અને કોઈ દસ અવતારેય કરે, લોભિયો માણસ હોય ને !

પાછલી ખોટો ચૂકવાય, આ કમાણીથી

એ મંત્રો ને આરતી, તે પોણો કલાક થાયને તો એક ગુંઠાણું થઈ જાય. આ ગુંઠાણું છે તે એમાં પદો વસ્તુ જુદી છે ને આ જુદી વસ્તુ છે. પદોય તે ફાયદાકારક વસ્તુ, બહુ મોટી ફાયદાકારક. આ દરેક ફાયદાકારક જ છે બધું. પણ ખોટ બધી પાર વગરની, તે નફો વધે નહીં.

જુઓને, હજુ તમને નફો નથી વધ્યોને ! હજુ વધ્યો નથી ? બેંકમાં જમે થતો નથી ?

પ્રશ્નકર્તા : જેટલો જોઈએ એવો નફો નથી.

દાદાશ્રી : હા, બેંકમાં જમે થતો નથી, પાછલી ખોટમાં જતો રહે બધો. આ ચંદુભાઈને ખોટ નહીં હોય, પાછલી ખોટો ?

પ્રશ્નકર્તા : આપ બધું જાણો જ છો, મને ખબર નથી.

દાદાશ્રી : ના, પણ તે હવે વધે નફો. જમે થાય છે ?

પ્રશ્નકર્તા : લાગે છે કે થાય છે હવે.

દાદાશ્રી : હવે થાય છે ખરોને ? ત્યારે સારું.

જો મહીં દ્રવ્ય પરિણામ સરસમાં સરસ હોયને, તો એક કલાકની જ જરૂર છે તમારે. પણ જ્ઞાની પુરુષ  કંઈ સામાન્ય શાકભાજી છે કે જોડે, રોજ રોજ, વારેઘડીએ દર્શન કરવાના હોય ? એક કલાકની જ જરૂર છે. પણ આ બધો માલ, આ જે કળિયુગ ખરોને, તેને લીધે એ જ થઈ ગયેલું બધું.

લેવાદેવા નહીં ને આખો દા’ડો નર્યો અજંપો જ કર્યો હોય, એટલે બધું વેરણછેરણ થઈ ગયેલું હોય. તે આ બધી ખોટો તોડવા માટે, નહીં તો એક કલાકની જ જરૂર. જ્ઞાની પુરુષની વધારે જરૂર ના હોય. ખાલી હાથ અડે તોયે બહુ થઈ ગયું. પણ જુઓને, કેટલી ખોટો બધી ! ખોટો ભાંગશે એટલે નફો દેખાશે ને પણ ? પેલા દીપકને નફો દેખાય છે ને ? જુઓને, ઝળકી ઊઠયો છે ને ? એ વ્યવહાર જોડે હોય તો કામ જ થઈ જાય ને !

જેવા ભાવ એવી ભજના

પ્રશ્નકર્તા : દાદા, તમારી બધી ફિલોસૉફિ (તત્ત્વજ્ઞાન) ને ટીિંચગ બધું ગમે છે કે આપ શીખવાડો છો એ જ્ઞાન ગમે છે, પણ આ ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર’ એ બોલવાનું નથી ગમતું તો શું ? પોતાને દાદા ભગવાનને માટે કાંઈ નથી, પણ એ દાદા ભગવાનના અસીમ જય જયકાર ગાવાનું એ કામનું નથી લાગતું. તો એ શું, દાદા ?

દાદાશ્રી : એ બંધ રાખવું આપણે. એ જે આપણને ના ગમતું હોય તે બંધ રાખવું. લોકોને તો બહુ ગમે. પણ હવે તારો મહીં માલ કાચો હોય જુદી જાતનો, તે શું થાય ? કચરો ભરીને લાવ્યા હોય, તે શું થાય ?

પ્રશ્નકર્તા : દાદા, તમારું જ્ઞાન મને ગમે છે. તમે જે જ્ઞાન આપો છો, ટીચિંગ કરાવો છો, આજ્ઞા તમારી ગમે છે પણ...

દાદાશ્રી : ના પણ આ એવું છે ને કે ચોખ્ખું નહીં. સહુને ગમ્યું એ ગમે ત્યારે જાણવું કે આ ચોખ્ખો માલ છે. અને એવું ના ગમે, પોતે એક્સેપ્શન, અપવાદ, તે આપણે જાણીએ કે ચોખ્ખો માલ નથી. માલ પ્યોર નથી કમ્પ્લીટ, ડાઘવાળો માલ છે.

શુદ્ધાત્માભાવે કરવી આ આરતી

પ્રશ્નકર્તા : અમે બધા આરતી કરીએ છીએ, તે વખતે અમારે બધાએ કેવો ભાવ રાખવાનો ?

દાદાશ્રી : મેં જે આપ્યું છે યથારૂપ તે ભાવમાં રહેવું જોઈએ. શુદ્ધાત્મા ભાવમાં જ, બીજું નહીં. હોમ ડિપાર્ટમેન્ટ (આત્મ વિભાગ)માં, ફોરેન ડિપાર્ટમેન્ટ (અનાત્મ વિભાગ)માં નહીં. આ ચંદુભાઈ આખો દહાડો ફોરેનમાં રહેતા હતા. હવે દેખાયું કે આ ફોરેનનું છે. તમારું હોમ તો આ છે. તે હોમમાં ગયા જ ન હતા ને ! હોમમાં ગયા ત્યારે ખબર પડી કે આ હોમ તો મારું આ. અત્યાર સુધી ફોરેનમાં ગયું બધું. તમને સમજાયું હોમ ને ફોરેન ? ફોરેનને હોમ માનીને ચાલતા હતા. એમ કંઈ દહાડો વળે આપણો ?

પ્રશ્નકર્તા : એ આરતીમાં મને લાગ્યું કે જો આરતી બરાબર અમે ધ્યાનપૂર્વક...

દાદાશ્રી : તો નર્યું જમે જ થઈ જાય. બહુ બહુ કમાણી થાય.

પ્રશ્નકર્તા : એક દૈવી ભાવ ઉત્પન્ન થાય.

દાદાશ્રી : તમે આરતી કરતા હોય દાદાની, તે વખતે ફરી આવું કરીએ એવો ભાવ હોય જ. અને આરતી ના કરતા હોય, તે ઘડીએ ફરી આવું કરીએ એવું તમે ગોઠવો તો એવું થાય અને ના ગોઠવો તો રહીયે જાય. પેલું તો એમને એમ જ બીજ પડે.

આફરીન થવા જેવું આ અલૌકિકતા પર

આ જે આરતી થઈ એવી જિંદગીમાં એક ફેરે મળે તો એ ધનભાગ્ય માને, પણ આ તો રોજ આરતી મળે છે તે કોઠે પડી જાય છે. આ તો જો અલૌકિકતા ના ચૂકે ને જાગૃતિ રાખે તો કિંમત સમજાય. આ તો રૂપિયાના ભાવની ચા એક ફેર પીધી હોય તો યાદ રહે, પણ રોજ પીવાની થાય એટલે એની કિંમત ના સમજાય, કોઠે પડી જાય. મનુષ્યનો સ્વભાવ કેવો છે કે કોઠે પડી જવું.

ખીલે આતમ પુષ્પ, આરતી મહીં

પ્રશ્નકર્તા : આનંદ કરાવે તેવી આ આરતી છે.

દાદાશ્રી : અને આપણા મનનેય બહુ આનંદ આપે. મનોરંજન તો બહુ જોયા છે પણ આત્મરંજન જોવું જોઈએ ને ? આ આત્મરંજન કહેવાય. અહીંયા આપણું દિલ ઠરે.

આ આરતી એવી છે કે આરતી ઉતારેને તો પછી આત્મા ખીલે, એને પાંદડીઓ આવે. જેમ પુષ્પ ખીલે છે ને તેમ ખીલે. પહેલા છે તે ગુલાબ કળીરૂપે તો હોય છે જ, પણ આપણે આરતી કરીએને ત્યારે ગુલાબની એક પાંદડી ખીલે. હવે આટલી ત્યાંથી પચ્ચીસ-પચાસ પાંદડી ખીલી છે, તેનો આનંદ રહે છે. તે આ આવેલા પાછા જાય છે, એટલે પછી આગળ પાંખડી ખીલે નહીં.

કેટલાકને તો એમ કહું છું કે ‘ભાઈ, તમારાથી વધારે ના અવાય તો આરતીને ટાઈમે આવી જજો.’ કારણ કે પાંદડી ખૂલે ને આ બધું આપણી અહીંની જે ક્રિયા છેને, એ બધું ખીલવાની છે. તેથી અમે આખો દહાડો બેસી રહીએ છીએને ! અમારે ખીલી ગયેલી છે તોય બેસી રહીએ છીએ, તેથી બધાના ખીલે જ છે ને !

પ્રગટના લક્ષે પ્રગટે પોતાનો જ આત્મા

સત્ પુરુષ એ જ પોતાનો આત્મા છે. કોઈ દહાડો પોતાના આત્માની આરતી જ ઉતારેલી નહીં ને, નહીં તો તો કામ જ થઈ જાયને !

એટલે આ આરતી જુદી જાતની છે. હવે ફક્ત આ પ્રગટને લક્ષમાં રાખીને બોલે છે, એટલે તમારું ખીલતું જાય.

પ્રગટને લાગુ ના થતું હોય તો એ શબ્દ ઈન્ટરેસ્ટેડ (રસપ્રદ) હોય નહીં. આ ગાયા કરીએ એટલું જ, ઈન્ટરેસ્ટ ના આવે. અહીં તો છોકરાંઓ કોઈ કેરી છોડતા જ નથીને ! મેં કીધું, ‘નાખી દે કેરી.’ તો કહે, ‘ઉહું, નાખી ના દેવાય.’ એટલે પ્રગટ હોય અને પ્યૉરિટિ (શુદ્ધતા) હોય ત્યારે ઈન્ટરેસ્ટ આવે, નહીં તો ઈન્ટરેસ્ટ કેવો આવતો’તો ? ગાયા જ કરોને આખો દહાડો.

એટલે આની વાત જ જુદી છે. આ તો આખા દિવસમાં બે વખત થઈ ગયું હોય ને, તોય બહુ થઈ ગયું. તો આપણે એક આરતી કરીએ છીએ ત્યારેય બોલીએ તો છીએને ? આનાથી બધી વધતી જાય શક્તિઓ. આત્મશક્તિ વધવાની તો હોતી નથી, પ્રગટ થાય છે. વધવાની શેમાં કે જેને જે શક્તિ ઓછી, તેને વધવાની હોય. આ તો આત્મશક્તિ વધવાની નહીં, પ્રગટ થાય છે. છે તો ખરી જ !

પ્રગટપણું પોતાનું, આરતી-સત્સંગ થકી

આત્મા જાગૃત થયો પણ હવે સંપૂર્ણ થવો એ જ્ઞાની પુરુષની હાજરીથી થયા કરે. જ્યાં સુધી પોતાના આત્માનું સ્પષ્ટવેદન નથી થયું, ત્યાં સુધી જ્ઞાની પુરુષ એ પોતાનો આત્મા છે.

ત્યાં સુધી આપણે શુદ્ધાત્મા છીએ એ ખ્યાલ રહે છે. એ શુદ્ધાત્માનો ખ્યાલ છે એટલે આપણું મહીં પ્રગટપણું વધતું જાય દહાડે દહાડે. આ જે આપણી આરતી-વિધિ છે ને, એ બધું પોતાનું જ પ્રગટ કરવાનું. અહીં જે આરતી છે, અહીં સત્સંગ થાય છે, એ બધું પોતાનું જ છે.

સાંભળનારોય પોતાનો સત્સંગ કરે છે ને બોલનારોય પોતાનો સત્સંગ કરે છે. દાદાનો સત્સંગ ક્યારે કહેવાય ? હવે નવા ભઈ (મુમુક્ષુ) કોઈ આવ્યા છે ને, એમને સત્સંગ દાદાનો કહેવાય. જેને અહીં પ્રગટ સત્તા આપી છે, તે તો બધા પોતાનું જ કરી રહ્યા છે. આ વિજ્ઞાન એવી જાતનું છે કે કોઈ માણસને પારકાં માટે કરવાની જરૂર નથી, એની મેળે પોતે પોતાનું જ કરી રહ્યા છે.

પોતે પોતાની ભક્તિ છે આ બધી. આમાં પારકાનું કંઈ છે જ નહીં. તમે જે જે દાદાનું કરશો એ બધું તમારું જ છે. આરતી ઉતારશો તેયે તમારી. દાદાનું નામ ગાશો, તોયે તમારું. બધું જ તમારું છે. તમારું વ્યક્તિત્વ ખીલી રહ્યું છે.

આત્મયજ્ઞ સીધો, પ્રજ્ઞા થકી

પ્રશ્નકર્તા : પોતે પોતાની આરતી ઉતારે છે એમ કેમ કહ્યું ?

દાદાશ્રી : આ માર્ગ કેવો છે ? ‘અક્રમ વિજ્ઞાન’ છે. એટલે પોતે પોતાનું જ કરી રહ્યો છે. અહીં આરતી ઉતરે ને, તે પોતાની જ આરતી ઉતારી રહ્યો છે. એ મોટી અજાયબી છે, આશ્ચર્ય છે ! આ જે અહીં આરતી ઉતારે અમારી, તે આ બધા અહીં જેટલા હોય છે ને, તે બધા પોતાની જ આરતી ઉતારી રહ્યા છે. પોતાના આત્માની જ આરતી ઉતારે છે. આ પ્રગટ થકી પોતાનું જ પ્રગટ કરવાનું છે. આ આપણો સૂક્ષ્મતમ સંયોગ છે અને જગત આખું સ્થૂળમાં પડેલું છે. આખું જગત સ્થૂળ ક્રિયાઓમાં છે. આ બધા યજ્ઞો-બજ્ઞો બધું, આ દરેક ક્રિયાઓ યોગ-બોગ બધું, માનસિકેય બધું સ્થૂળ કહેવાય. પણ આ સ્થૂળથી એ આગળનું પદ કહેવાય. એ સૂક્ષ્મ સુધી લઈ જાય. અને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ જગતે જોયું નથી, સાંભળ્યું નથી. એટલે આપણો આ સૂક્ષ્મતમ પ્રયોગ છે અને છેલ્લામાં છેલ્લો યજ્ઞ કહેવાય છે આ. જે યજ્ઞમાં મન-વચન-કાયાની કોઈ ક્રિયા હોય નહીં. આ તો આત્માનો યજ્ઞ સીધો પ્રજ્ઞા થકી ઉત્પન્ન થયેલો. તેથી આ જે જે કરો છો ને, એ બધું પોતાના આત્માનું જ થઈ રહ્યું છે.

અહીં થાય બધું પોતાનું જ

દાદાનું આમાં કશું નથી. પોતપોતાનું દરેકનું છે, પ્રગટ થવાનું. અહીં બધીય જે જે કંઈ ક્રિયા હોય, તે ‘પોતે’ પોતાની જ ક્રિયા કરી રહ્યા છે. ‘દાદા ભગવાન’ તેય એમનામાં રહ્યા છે એ ભગવાન, તેને જ પ્રગટ કરી રહ્યા છે ! આપણે ત્યાં જે આરતી છે એ ખુદની આરતી છે. આપણે ત્યાં જે પદો ગાય છે તે ખુદની જ કીર્તન-ભક્તિ છે. આપણે ત્યાં ખુદના સિવાય ‘રિલેટિવ’ વસ્તુ જ નથી. એટલે આ સંઘ જુદી જાતનો છે.

પ્રશ્નકર્તા : દાદા, અમે ચોવીસેય કલાક તમારું નામ દઈને બોલ્યા કરીએ તો પાપ બંધાય નહીં ને ?

દાદાશ્રી : દાદાનું નામ દેવું તે પોતાના જ ‘શુદ્ધાત્મા’નું નામ દીધા બરાબર છે. આ પદો ગાય તે પોતાના જ શુદ્ધાત્માનું કીર્તન ગાય, એના જેવું છે. અહીં બધું જ પોતાનું છે. આ આરતી પણ પોતે પોતાની જ છે, અમારું કશું નહીં. અમે તમારાને !  જેને જેટલું કરતા આવડ્યું એટલું એ ફાવશે.

દાદાની કિર્તન ભક્તિ એ પોતાની જ

જેને ખબર નથી કે આપણે અહીં પોતે પોતાની કીર્તન-ભક્તિ કરીએ છીએ, એને તો પછી ખોટ જ જાયને ? આ જાણ્યા પછી ખોટ ના જવા દો. અહીં જે ભક્તિ કરે છે એ મારા માટે, ‘એ. એમ. પટેલ’ માટે નથી, એ ‘દાદા ભગવાન’ની છે. અને ‘દાદા’ તો બધામાં બેઠા છે. મારા એકલામાં બેઠા નથી, એ તમારામાંય બેઠા છે. આ તેમની જ ભક્તિ છે. આરતી બધું તેમનું જ છે અને તેથી જ અહીં બધાને આનંદ આવે છે. તમારી જોડે હું પણ અંદર બેઠેલા ‘દાદા’ને મારા નમસ્કાર કરું છું.

પ્રશ્નકર્તા : તે ઘડીએ બધા આનંદમાં આવી જાય છે, એનું કારણ શું ?

દાદાશ્રી : કારણ કે આ ‘દાદા’ જો દેહધારી રૂપે હોતને, તો તો મનમાં એમ થાત કે પોતાની જાતનું જ ગા ગા કર્યા કરે છે. ખરેખર આ એવું નથી. કૃષ્ણ ભગવાને ગીતામાં આવી રીતે ગાયું છે પણ લોકોને સમજાય નહીંને ! ‘તું’ જ કૃષ્ણ ભગવાન છે. જ્યાં સુધી સ્વરૂપનું ભાન ના થયું હોય, ત્યાં સુધી શી રીતે સમજ પડે ?

જ્યાં સુધી જ્ઞાન ના હોય ત્યાં સુધી એમને એમ લાગે કે આ મૂર્તિને હું પગે લાગું છું. આ દેહધારી, પણ જેને જ્ઞાન આપ્યું હોય, તમને આ દિવ્યચક્ષુ આપેલા એટલે તમે શેના દર્શન કરો ? અમૂર્તના દર્શન કરો. એ દિવ્યચક્ષુ હોય તો અમૂર્તના દર્શન થાય. તમે જેના દર્શન કરો છો, તે તમારા જ આત્માના દર્શન કરો છો.

જ્ઞાની પુરુષનો પરમ વિનય કરીએ તેય પોતે પોતાના આત્માનો વિનય, તેટલો આત્મા પ્રગટ થાય.

અભેદ ભાવે, અભેદ ભક્તિ

આ અક્રમ વિજ્ઞાન જ એવું છે, કે દરેકનું વ્યક્તિત્વ ખીલી રહ્યું છે. અભેદ ભાવનું છે આ. અભેદ ભાવ કેમ ? ત્યારે કહે, મૂળ દાદાનામાં બુદ્ધિ જ નથી, એટલે અબુધ છે. અબુધ એટલે અભેદ ભાવનું વાતાવરણ ઉત્પન્ન કરે અને બુદ્ધિ ભેદ કરાવડાવે. બુદ્ધિ હંમેશા ભેદ પાડે. આ અમારું ને આ તમારું, આ ફલાણું. દાદામાં ભેદ બુદ્ધિ જ નહીં ને ! અહીં અભેદ સ્વરૂપે બેસે છે, ઊઠે છે, ખાય છે, પીવે છે, અભેદ સ્વરૂપ. સહેજે ભેદ બુદ્ધિ નથી, એવી રીતે આ દાદાનું સ્વરૂપ છે. અહીં તમને સત્યુગ જેવું લાગશે અને એની તો આખા વાતાવરણ ઉપર અસર રહ્યા જ કરે નિરંતર. કોઈ દહાડો જુદાઈ નહીં દેખાય. આપણે ત્યાં પંદરસો-પંદરસો માણસો ભેગાં થયા હશે પણ કોઈ દહાડો જુદાઈ નહીં દેખાઈ. અજાયબી છે ને !

પ્રશ્નકર્તા : ‘હું જ દાદામાં ને દાદા જ મુજમાં.’

દાદાશ્રી : આ અભેદતા છે. દાદા મહીં તમારામાં બેઠા છે તે દાદા ને પછી આયે દાદા. એટલે આ દાદાની ભક્તિ થયા કરે છે નિરંતર.

અવ્યક્ત વ્યક્ત થાય, અક્રમ થકી

 હવે અહીં આગળ આ જે માર્ગ છે ને, આ અક્રમ વિજ્ઞાન, એ શું કહેવા માંગે છે કે પોતપોતાની સંભાળો. અને દાદા ભગવાનને હું નમસ્કાર કરું છું એ જેટલો વખત બોલો છો, એ તમારા મહીંવાળા દાદાનું જ બોલો છો. આ બધાં જગતમાં જે બોલાય ને, તે બોલાય તેમાં શું થાય કે મારે તમારું નામ બોલવું પડે. અરે મૂઆ, મારે શા હારુ તમારું નામ દેવું પડે ? આ તો દાદાનું ને એનું એક જ. અહીં આરતી ઉતારો છો, તે તમારા મહીંવાળા દાદાની જ આરતી ઉતારો છો. આ તમને જ સ્પર્શે છે આ વાત. તે આમ દેખાવમાં લોકોને એમ લાગે કે આ દાદાની ભક્તિ છે. ના, એવું નહીં, દરેક જીવને સ્પર્શે છે. આ વ્યક્ત માર્ગ છે. પોતે પોતાનું વ્યક્ત થઈ રહ્યું છે, નિરંતર વ્યક્ત થઈ રહ્યું છે.

રિયલની ભક્તિ સ્પર્શે રિયલને

આપણો આ રિયલ માર્ગ છે. એ દાદાને પગે લાગ્યો એટલે પોતાના આત્માને પગે લાગ્યો. એટલે પોતે એ રૂપ થયો. આ બધું પોતાનું જ છે. દરેક ક્રિયા પોતાની છે. રિલેટિવ રીતે આ આમ દેખાય છે આવું,  કે દાદાને હું ફૂલો મૂકું છું, દાદાને પગે લાગું છું પણ રિયલી પોતે પોતાને જ પગે લાગી રહ્યો છે, પોતે પોતાને ફૂલો ચઢાવી રહ્યો છે.

એમને એક ફૂલ ધરીએ તો સો પાછા મળે. કારણ એ સ્વીકારતા નથી, વીતરાગ છે. ઓહો ! આખા બ્રહ્માંડનો નાથ મહીં છે, એવું હું હઉ નમસ્કાર કરું છું. (એમને) શું ના આપીએ, પણ એમને કશું જોઈતું જ ના હોય. આપણે માટે જ કરીએ છીએ આ બધું. પોતે પોતાનું જ વ્યક્ત કરી રહ્યો છે. પોતે પોતાને ભજે છે ને પોતાનું વ્યક્તિત્વ વ્યક્ત કરે છે, મને કોઈ ભજતા નથી. હું તો આ બધાનો શિષ્ય છું.

‘દાદા’, સંગમેશ્વર ભગવાન

પ્રશ્નકર્તા : આરતીમાં ‘સંગમેશ્વર ભગવાન’ શબ્દ આવે છે તે સમજાવો.

દાદાશ્રી : એટલે અત્યારે આ બ્રહ્મ^ાંડમાં સંગમેશ્વર ભગવાન થયા હોય તો દાદા એકલા જ. ‘આ’ મહીં પ્રગટ થયા છે તે ‘સંગમેશ્વર ભગવાન’ છે. બધા ધર્મના સંગમ છે અહીં આગળ. તેથી જ તો અમે કહીએ છીએ કે જૈનોના અમે મહાવીર છીએ, વૈષ્ણવોના કૃષ્ણ છીએ, સ્વામીનારાયણના સહજાનંદ છીએ, ક્રિશ્ચિયનોના ક્રાઈસ્ટ છીએ, પારસીના જરથોસ્ત છીએ, મુસ્લિમોના ખુદા છીએ. જેને જે જોઈતું હોય તે લઈ જાવ. અમે ‘સંગમેશ્વર ભગવાન’ છીએ. તું તારું કામ કાઢી જા. તે દરેકને એની સમજથી તેટલું કામ નીકળશે. આ તો આશ્ચર્ય છે મોટામાં મોટું, આ દુનિયામાં સાંભળ્યું ના હોય. આ તો અજાયબી માર્ગ છે, અક્રમ વિજ્ઞાન !

જ્ઞાની કૃપાએ, પ્રગટ્યું અયાચકપણું

શું અત્યારે તમે છોડ્યું છે કશું ? પરિગ્રહ છોડ્યા છે કશા ?

પ્રશ્નકર્તા : થોડા, દાદા.

દાદાશ્રી : શું બૈરી-છોકરાં બધુંય ?

પ્રશ્નકર્તા : બૈરી-છોકરાં નથી છોડ્યા.

દાદાશ્રી : ત્યારે છોડવાનું જ એ જ છે ને ? તીખું ના ખાધું કે ગળ્યું ના ખાધું એનું શું ? મીિંનગલેસ  (અર્થ વગરની) વાતો. છોડ્યું, છોડ્યું, બધું છોડવાનું જ આ. બૈરી-છોકરાં, સંસાર છોડવાનો. અને અહીં છોડવાની જરૂર જ નહીં, વગર છોડ્યે કામ થઈ જાય.

પ્રશ્નકર્તા : દાદા, પહેલા વાંચ્યું’તું એ અનુભવમાં આવ્યું કે અનંતકાળનું યાચકપણું એ નિવૃત્ત થયું.

દાદાશ્રી : હા, અયાચકપણું.

પ્રશ્નકર્તા : અને અયાચકપણું પ્રગટ થયું.

દાદાશ્રી : હા, હા, એવું.

પ્રશ્નકર્તા : એવો તરણતારણહાર મળી ગયો.

અજાગૃતિના કરવા પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : હું જ્યારે દાદાનું નામ લઉં કે આરતી કરું, તોય મન બીજે ભટક્યા કરે. પછી આરતીમાં કંઈ જુદું જ ગાઉં. પછી લીટીઓ જુદી જ ગવાઈ જાય. પછી વિચાર આવે એમાં તન્મયાકાર થઈ જવાય. પછી થોડીવાર રહીને પછી પાછો આવી જઉં એમાં.

દાદાશ્રી : એવું છેને, તે દહાડે પ્રતિક્રમણ કરવું. વિચાર આવે તો વાંધો નથી, વિચાર આવે ત્યારે આપણે ‘ચંદુલાલ’ને જોઈ શકતા હોઈએ કે ‘ચંદુલાલ’ને વિચારો આવે છે. એ બધું જોઈ શકતા હોઈએ તો આપણે ને એ બે જુદા જ છે. પણ તે વખતે જરા કચાશ પડી જાય છે.

પ્રશ્નકર્તા : જાગૃતિ જ નથી રહેતી તે વખતે.

દાદાશ્રી : તે એનું પ્રતિક્રમણ કરી લેવું કે આ જાગૃતિ ના રહી, તે બદલ પ્રતિક્રમણ કરું છું. દાદા ભગવાન ક્ષમા કરજો.

શુદ્ધાત્મા થઈને જુઓ પુદ્ગલને

પ્રશ્નકર્તા : પણ દાદા, આ ચંદુભાઈનું મન-ચિત્ત આરતીમાં બહુ ફરવા જાય છે, તો આરતી વખતે મન-ચિત્ત બધું દાદામાં રહે તે માટે શું કરવું ?

દાદાશ્રી : કશું કરવાનું હોય નહીં. એવું છે ને કે આ મન-ચિત્ત એ જે જે છે ચંદુભાઈનું, તે તો તેમનું તેમ જ છે, આપણે છૂટા થઈ ગયા આ બધાથી. આપણે શુદ્ધાત્મા તરીકે છૂટા હતા પણ આ તો મહીં ગોટાળો હતો. એ બધું જે થતું હતું, તેને આપણે કહેતા હતા કે ‘હું કરું છું’ અને જવાબદારી ખોળતા હતાં. આપણે છૂટા થઈ ગયા, એટલે આપણે જોયા કરવાનું કે ‘ચંદુભાઈ’નું મન-બુદ્ધિ-ચિત્ત શું કરે છે ! એ બધું જોયા કરવાનું. આવું ક્યાં સુધી ચાલશે ? જ્યાં સુધી ભરેલો માલ હશે ત્યાં સુધી. પછી તો નિરંતર તમારામાં જ મન હઉ રહેશે. હજુ તો આ ચિત્ત આવું છે, તે થોડો વખત થશે પછી આ બધું નીકળી જશે. આપણે ખસેડીએ તોય નહીં ખસે. પછી ક્યાં જાય તે ? ખાલી થઈ રહેલો માલ છે આ તો. આ પુદ્ગલ છે અને તમે શુદ્ધાત્મા.

 જરૂર જાગૃતિની, નહીં એકાગ્રતાની

પ્રશ્નકર્તા : દાદા,  હવે એક પ્રશ્ન એ થાય છે કે દાદા હાજર ના હોય, ત્યારે એમનો ફોટો રાખીને આરતી કરીએ છીએ. ત્યારે આ એક જણ થોડી આરતી કરે, પછી બીજો, પછી ત્રીજો લે એવી રીતે આરતીની એકબીજાને આપવામાં ને જવામાં જ અમારું મન જ રહી જાય છે અને બરાબર એકાગ્રતાથી આરતી થતી નથી. તો એ કેવી રીતે કરવું જોઈએ ?

દાદાશ્રી : એકાગ્ર થઈને કરવાની નહીં. એકાગ્રતાથી જો કરો તો તમે એકાગ્ર થાવ, તો આત્મા ભૂલાઈ જાય.

પ્રશ્નકર્તા : ના, એકાગ્રતા નહીં, જાગૃતિથી, દાદા. જાગૃતિથી આરતી થતી નથી.

દાદાશ્રી : એટલે ‘હું આત્મા છું’ એ લક્ષમાં હોય જ અને આરતી કરનારને જાણીએ. આરતી કરનારને આપણે જાણીએ એટલે બહુ થઈ ગયું, કોણ કરે છે તે.

પ્રશ્નકર્તા : દાદા, આપે કહ્યું છે ને, જ્યારે આરતી કરતા હોય કે દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલતા હોય ત્યારે આમ શબ્દે શબ્દ વાંચવા જોઈએ.

દાદાશ્રી : દાદા ભગવાનના અસીમ જય જયકાર એ વંચાય તો ઠીક, પણ વંચાય એવું ના થતું હોય, એ શક્તિ ના હોય તો, એમાં વાંધો નહીં.

પ્રશ્નકર્તા : પણ દાદા, એ પાછું એકદમ મિકેનિકલ ના થઈ જવું જોઈએને ?

દાદાશ્રી : મિકેનિકલ થાય જ નહીં અને ના રહેતું હોય ત્યારે શું કરવાનું ?

પ્રશ્નકર્તા : મોટેથી બોલવાનું ને જાતે સાંભળવાનો પ્રયત્ન કરવાનો.

દાદાશ્રી : હા, એ બહુ ઉપયોગી.

પોતપોતાના ધર્મ બજાવે એ ઉપયોગ

પ્રશ્નકર્તા : આપણે આ આરતી કરીએ છીએ, તે વખતે છે તો આ આંખો તો બંધ હોય, છતાંય છે તો આરતી ચાલતી હોય, તો આપની જે આરતી ઉતરે છે તેવું આ બંધ આંખે જો દેખાય અથવા સીમંધર સ્વામીનું દેખાય અથવા તો પછી પેલું આપે કહ્યું એવું એક-એક અક્ષરે અક્ષર વંચાય, તો એ કેવો ઉપયોગ કહેવાય ?

દાદાશ્રી : એ બધું તો અજ્ઞાનીઓય કરે છે.  આરતી કરવા જાયને તો આંખો મીંચીને દેખાય બધું, દીવો કરતો હોય તે. ઉપયોગમાં તો આ કહ્યું તે રીતે હોવું જોઈએ. કર્તા જુદો, જ્ઞાતા જુદો. કર્તા એના સ્વભાવમાં છે કે નહીં કે કર્તા અજાગૃતિમાં છે તેય પાછું જોવું. દીપક છે તે એનો ઉપયોગ રાખે ને એની ઉપર આત્મા પોતાનો ઉપયોગ રાખે. બે ભેગાં થાય ત્યારે ઉપયોગમાં રહ્યું કહેવાય.

આત્મા આત્માનું કર્યા કરે, દીપક દીપકનું કર્યા કરે. દીપકનું મન, મનનું કામ કર્યા કરે. પોતપોતાના ધર્મો બધા બજાવે, એનું નામ ઉપયોગ.

ઉપયોગવાળાને તો કશું નડતું જ નથી, આમ ના હોવું જોઈએ ને એ ના હોવું જોઈએ. એ તો (રિલેટિવ) જ્ઞાન છે, એ ઉપયોગ નથી.

અનન્યતા પહોંચાડશે, નિરાલંબના સ્ટેશને

પ્રશ્નકર્તા : હવે આ આપણી આરતીમાં જે ‘અનન્ય શરણું સ્વીકારી...’ આવે છે, તો એ અનન્ય શરણું એ સમજાવો.

દાદાશ્રી : હા, અનન્ય શરણું જેનું લઈએ તે, રૂપ થઈએ આપણે.

ફક્ત જેની આજ્ઞા પાળવી છે, તેમાં અનન્ય આવવું જોઈએ. તમારે બીજું કશું કરવાનું નહીં. તમારે તો અનન્યતા કરી કે ચાલ્યું પછી. આ તો પાણી વચ્ચે આટલો પથરાનો ટુકડો પડી રહ્યો છે, તે ખસેડવાની જરૂર છે. બસ, બીજું કશું નહીં. તે પાણી ઝપાટાબંધ વહેવા માંડે.

પ્રશ્નકર્તા : આપ બોલ્યાને કે ‘જેની આજ્ઞા પાળવી છે, એનું અનન્યપણું થવું જોઈએ.’ એ સમજાવો.

દાદાશ્રી : અનન્યપણું એટલે આપણને એમ મહીં પટંતર પામ્યા હોઈએ કે કંઈક વિશેષતા અનુભવી હોય તો પછી ત્યાં અનન્યપણું કરી નાખવું. અને ના અનુભવી હોય તો ત્યાં અન્યપણું રહેવાનું જ છે. એટલે અનન્યપણું કરે ને, તેની સાથે જ આ પાંદડું ખસેડવાની જરૂર છે અને તમારા જેવાને વાર જ ના લાગે. તમારા જેવાને તો એક પાંદડું ખસેડવાની સાથે જ, એક જ દહાડો જો પાંદડું ખસેડી નાખોને, તમને અનુભવ થઈ જશે.

પ્રશ્નકર્તા : દાદા, અનન્ય એટલે એકતા ?

દાદાશ્રી : અનન્ય એટલે આપણને આ એક સત્ય લાગ્યું હોય એ સત્યને ઠેઠ સુધી પાર ઉતરી, અંદર ઊંડા ઊતરી જવું જોઈએ. બીજાની જોડે સરખામણીઓ પણ ન કરવી જોઈએ. સરખામણી કરવાની સહેલી નથી. અનન્ય એટલે કૃષ્ણ ભગવાને શું કહ્યું કે અમારી અનન્ય ભક્તિ થઈ જાય તો થઈ ગયું, બેડો પાર. લોકો જે માને છે એ કૃષ્ણ નહોય, એ તો ભ્રાંતિ છે. કૃષ્ણ તો એવરલાસ્ટીંગ (સનાતન) છે. આ ફોટો, મૂર્તિ એ બધી તો ભ્રાંતિ કહેવાય. ભ્રાંતિના કૃષ્ણ આ. અને સાચા કૃષ્ણ પેલા જે એવરલાસ્ટીંગ હોય. એવરલાસ્ટીંગને અનન્ય ભક્તિ કહે છે.

સ્પષ્ટ વેદન થયે આવશે ઉકેલ

પ્રશ્નકર્તા : એ એવરલાસ્ટીંગ જે આપ કહો છો ભક્તિને માટે, એ કેવું સ્વરૂપ હોય ? એવરલાસ્ટીંગ અવલંબન માટે કેવા સ્વરૂપનું અવલંબન લેવું ?

દાદાશ્રી : સ્વરૂપનું કશું નહીં, ‘હું શુદ્ધાત્મા છું’ એ ભાન રહ્યું એ એવરલાસ્ટીંગ છે. એ ભાન રહ્યું પણ એને વેદન ના રહ્યું ને ! સ્પષ્ટતા ! વેદન રહ્યું. ભાન એટલે વેદન કહેવાય, પણ સ્પષ્ટ વેદન ! સ્પષ્ટ એ સ્પષ્ટતા એટલા માટે કહ્યું કે આ દાદા એ જ્ઞાની પુરુષ, એ આપણો આત્મા છે, જ્યાં સુધી સ્પષ્ટ વેદન ના થાય ત્યાં સુધી. અને એ જે કહે એ પ્રમાણે કર, કહે છે. અને સ્પષ્ટ વેદન થશે એટલે મહીં જે કહે એ પ્રમાણે કરવાનું. અમને મહીંથી જે કહે એ પ્રમાણે કરીએ અમે અને એ કહેનારને અમે ભગવાન કહીએ છીએ. અમને જે અમારી ભૂલ દેખાડે છે, એને અમે ભગવાન કહીએ છીએ. અમારી ભૂલ પેલી ના થાય, પેલી થાય તો ઉપરી હોય. આ તમારે બધાને હજુ અમુક ભૂલો થાય છે, એટલે હું ઉપરી તરીકે છું. પણ એ ભૂલો થાય નહીં, તો હું ઉપરી નહીં, ત્યાં સ્પષ્ટ વેદન થયું હશે અને તે પછી પેલા દેખાડે. પછી મારી જગ્યાએ પેલા આવી જાય. અને પેલી બધી ભૂલો થઈ રહી એટલે તમે ને એ એક જ, ભૂલ દેખાડનાર અને ભૂલ કરનાર એ એક થઈ જાય. ઉકેલ તો લાવવો પડશે ને કે નહીં ?

પ્રશ્નકર્તા : દાદા, એની એ જ વાત આપ ફરી જ્યારે કહો છો ત્યારે એનો વળી વધુ ઉઘાડ નીકળે છે.

દાદાશ્રી : એ પેલું એક આવરણ તૂટે, પછી બીજું તૂટે. તે પડવાળી ચીજ ને આ બધી, તે પડ તૂટતા જાય એમ વધારે સમજાતું જાય. જ્યારે પૂરું સમજાય ત્યારે એને પ્રકાશ થશે એનો.

જય સચ્ચિદાનંદ