મોહ, આવશ્યક-અનાવશ્યક ચીજોમાં સંપાદકીય ‘મોહ’ શબ્દથી કોણ પરિચિત નહીં હોય આ સંસારમાં ? પણ શું ખરેખર કોઈ મોહના સ્વરૂપને ઓળખતા હશે ખરા ? તો પછી આ મોહનું સાચું સ્વરૂપ શું ? એ મોહ એટલે શું ? મોહ એટલે બેભાનપણું. બેભાનપણું એટલે ‘પોતે’ કોણ છે તે નહીં જાણવું તે. જેમ જેમ અજ્ઞાનતા વધે તેમ તેમ મોહના સાધનો વધારે પ્રાપ્ત થાય અને પોતાની જાતને પુણ્યશાળી માને. પણ એ મોહનું પરિણામ શું આવશે, એ ક્યાં ખબર હોય છે ? એક જરાક અમથું મોહનું બીજ હોય, તે આખા જગતમાં વ્યાપી જાય તેવું છે. એ તો જ્ઞાની પુરુષની કૃપા દ્રષ્ટિ સિવાય મોહની ગાંઠ ઓગળી શકે જ નહીં. પરમ પૂજ્ય દાદાશ્રી સરળ રીતે સમજાવતા કહે છે કે ‘આખું ચિત્ત ચોરાઈ જાય એનું નામ મોહ.’ ચિત્તને ફસાવાનું મોટું સ્થળ કયું ? ત્યારે કહે, વિષય. બીજું સ્થળ કયું ? અનાવશ્યક ચીજો. એટલે આ સંસારમાં આવશ્યક ચીજ કઈ ને અનાવશ્યક કઈ તે નક્કી કરી લેવું. આવશ્યક એટલે અવશ્ય જરૂર પડે જ અને અનાવશ્યક તો માથે લીધેલું, મોહને લઈને. જો આપણે મોક્ષે જવું હોય તો જિંદગીમાં આવશ્યક અને અનાવશ્યક ચીજોનું લિસ્ટ બનાવવું જોઈએ અને પછી અનાવશ્યક ચીજો ઉપરથી ભાવ ઉતારી નાખવો જોઈએ. ના જરૂરિયાત ચીજને લાવે ને જરૂરિયાત ચીજની કસર વેઠે, એનું નામ મોહ કહેવાય. જેટલી નવી વસ્તુ દેખે એમાં ચિત્ત ફસાઈ જાય. ચિત્ત ફસાયું એટલે ઐશ્ચર્ય તૂટી ગયું. જે નક્કી કર્યું છે તે નક્કીપણાને છેતરે તેવો મોહ ના હોવો જોઈએ. ચિત્તવૃત્તિ વેરાય છે અનિશ્વયથી અને લોકોના કહેવાથી પોતે દોરાય છે. લોકોએ જેમાં સુખ માન્યું તેમાં પોતે માને. જેની કિંમત સમજાઈ ત્યાં પછી ચિત્ત ભટક્યા કરે. ચિત્ત ક્યારે ના ભટકે ? જગતમાં કોઈ ચીજની કિંમત ના લાગે તો. ત્યાં પોતે જાગૃત થઈને આવશ્યક અને અનાવશ્યક નક્કી કરે, ત્યાર પછી ગાડું રાગે પડે. બહારની વસ્તુઓ કે જેમાં મોહ વ્યાપેલો છે, એમાંથી મોહ ઓછો થવા માટે વસ્તુઓ દુઃખદાયી લાગ્યા કરે, પોતાને અહિતકારી લાગે તો પછી તેમાંથી પાછો ફરે, તો પછી એમ કરતા કરતા મોહનો વ્યાપ ઘટે. મોહ પૂરો થાય એવી ચીજવસ્તુ મળતી ના હોય અને એટલે તેને માટે અભાવ રહ્યા કરે તો મોહ ગયો ના કહેવાય. એ તો વસ્તુ અડે કે તરત જ મોહીને મોહ ચડે. આમ તો પોતે માને કે હવે મને મોહ નથી રહ્યો પણ એ તો જ્યારે કોઈ અપમાન કરીને કાઢી મેલે, ત્યારે મોહની ખબર પડે. માનનો મોહ હોય અંદર અને કીર્તિનોય મોહ હોય, પણ કીર્તિ પછી અપકીર્તિ આવે. કીર્તિ આપણે લેવા જઈએ ને અપકીર્તિ આવે ત્યારે ભયંકર દુઃખ થાય. એટલે આપણે કીર્તિ-અપકીર્તિથી પર થવાનું છે. ગળ્યું જ્યારે ગળ્યું લાગે, કડવું જ્યારે કડવું જ લાગે ત્યારે એ મોહ કહેવાય અને બેઉ ફીક્કા-મોળા લાગવા માંડે, એટલે મોહનીય પરિણામ મોળા થઈ ગયા. આખો મોહ ઓગળ્યો એટલે આપણું કામ થઈ ગયું ! પરમ પૂજ્ય દાદાશ્રી ઉદ્બોધિત પ્રસ્તુત સંકલનમાં મોહનું અદ્ભુત વિશ્લેષણ વર્ણવાયું છે, જે મહાત્માઓને આવશ્યક અને અનાવશ્યક ચીજો માટે મોહ સામે જાગૃતિ રાખવામાં મદદરૂપ થશે એ જ અંતરની અભિલાષા. જય સચ્ચિદાનંદ. મોહ, આવશ્યક-અનાવશ્યક ચીજોમાં મોક્ષનો અધિકારી કોણ ? દાદાશ્રી : મોક્ષે જવું છે કે દેવગતિમાં જવું છે તમારે ? પ્રશ્નકર્તા : ના, ના, મોક્ષે જ. અહીં આ અનુભૂતિ થાય છે ને ! શુદ્ધાત્મા સિવાય બીજું કશું ગમતું નથી. દાદાશ્રી : આ સંસારના સુખો જ્યારે દુઃખરૂપ પ્રતિભાસે ત્યારે જાણવું કે મોક્ષને લાયક થયો. સંસારના બધા જ સુખો, દુઃખરૂપ લાગે. પૈસા હોય, સ્ત્રીઓ હોય, કહ્યાગરા નોકરો હોય, કહ્યાગરું બધું હોય, બધું સુંદર હોય છતાં દુઃખરૂપ લાગ્યા કરે, મહીં અજંપો થયા કરે, તો એ મોક્ષનો અધિકારી કહેવાય. તે તો આ કાળમાં હોય નહીં. આ કાળ તો પાંચમો આરો છે. પણ એનાથી થોડું ઘણું ના ગમતું હોય તો જાણવું અધિકારી છે. આ આટલા મોહમાં ના ગમે એ અજાયબી છે ને ! કેટલો મોહ ઝળક્યો છે નહીં ? અને તેમાં નથી ગમતું તેય અજાયબી છે ને ! ખરું સુખ હોમમાં, નહીં ફોરેનમાં પ્રશ્નકર્તા : આપને મળ્યા પછી આવું થાય છે, દુઃખરૂપ લાગે છે હવે. દાદાશ્રી : સંસાર દુઃખદાયી છે એમ લાગે તો મોક્ષ ખોળે, નહીં તો મોક્ષ કોણ ખોળે ? મને (મારે) એક સમય પણ એવો નથી ગયો કે જે મને સંસાર દુઃખદાયી ન લાગ્યો હોય. કારણ કે હું એક્ઝેક્ટનેસ (યથાર્થતા) શોધતો’તો ને ! હું માંકણ આવે તો માંકણને કૈડવા દેતો’તો એ એક્ઝેક્ટનેસ. અને માંકણને ખસેડી નાખીએ એટલે સંસાર દુઃખદાયી લાગે જ નહીંને ! તમને કેમ લાગે છે ? અને દુઃખદાયી (હોવા) છતાં લાગતો નથી એ કયા પ્રકારનો મોહ છે ? (આ સંસાર) ક્ષણે ક્ષણે દુઃખદાયી, ક્ષણે ક્ષણે ભયવાળો, નિરંતર ભય ! એક સમય પણ ભય વગરનો નહીં એવું આ જગત. કારણ કે પરક્ષેત્રે બેઠેલો છે. અને સ્વક્ષેત્રે ત્યાં આગળ કોઈ ભય જ નથી. પરક્ષેત્રે એટલે ફોરેનમાં બેઠેલા છે. ફોરેનને હોમ (સ્વક્ષેત્ર) માને છે અને હોમનું તો ખબર જ નથી. હોમને તો રિયલાઈઝ (અનુભવ) નથી કર્યું કે આ હોમ કે પેલું હોમ ? આ ફોરેનને હોમ ક્યાં સુધી માનીશું ? ફોરેનમાં હોમ માનીએ તો પરદેશનું ભલું કર્યું, પોતાનું ગયું, રખડી પડ્યું. હવે તમે ફોરેનને ફોરેન માનો છો અને હોમને હોમ માનો છો એટલે કામ થઈ ગયું આપણું. દ્રષ્ટિ બદલાયે પામ્યા સ્વસુખ પહેલા તો આપણે બધાએ માનેલુંને કે આ બધા સુખ ખોળવા નીકળ્યા છે. તે આપણે એ લોકની રીત અજમાવી હતી. આ લોકોએ જે રીત અજમાવી હતી, એ આપણે અજમાવી. પણ હવે તો અલૌકિક રીત ઉત્પન્ન થઈ, એટલે આપણે સમજી ગયા કે આ તો માર ખાવાનું છે. આ આમાં શું સ્વાદ જ છે ? સ્વાદ તો પોતાને ઘરે (આત્મસ્વરૂપમાં) છે. પ્રશ્નકર્તા : પણ દાદા, માર ખાધો એટલે ખબર પડી બહારના સુખની. દાદાશ્રી : ના રે, માર ખાધો ત્યારે મોહ વધતો’તો. આ તો આ જ્ઞાનથી જરા શાંતિ થઈ ગયેલી. એટલે તરત જ આ બાજુ વલણ થયું. નહીં તો માર ખાયને, ત્યારે કહે, આમ કરીશું, તેમ કરીશું. ઉપાય ખોળ ખોળ કરે, પણ ઉપાય બળ્યા હાથમાં ના આવે ને ! માર ખાવાથી વળ્યું નથી. આ તો ફક્ત આ જ્ઞાન ભેગું થઈ ગયું, એટલે ગયા અવતારની મોટી કંઈ પુણ્યાઈ ભેગી થઈ ગઈ તો કામ થઈ ગયું આપણું. દ્રષ્ટિ બદલાઈ ગઈ, અંજન થઈ ગયું. નિરંજન અંજન. તે કામ થઈ ગયું. મોહ હવે ઉતરે એ વાત જુદી છે, પણ અત્યારે તો મોહ ટોચ ઉપર જઈને બેઠો છે, તે શી દશા થાય માણસોની ? મોહ એટલે બેભાનપણું પ્રશ્નકર્તા : દાદા, આ મોહ એ ખરેખર છે શું ? એનું સ્વરૂપ શું ? દાદાશ્રી : ક્રોધ-માન-માયા-લોભ એ મોહ. પુરુષોને ક્રોધ ને માનનો મોહ, આ સ્ત્રીઓને લોભ ને કપટનો મોહ ! લોકો કહે છે, મોહ એટલે શું ? ત્યારે કહે, અત્યારે ચંદુભાઈ આમ ખરેખરા સારા માણસ દેખાય છે, પણ એક શીશી (દારૂ) પાઈ દીધી હોય તો ? ‘હું મહાવીર છું, હું આમ છું ને તેમ છું’ બોલે, તો આપણે જાણીએને કે ચઢી હવે. એ મોહ ચઢ્યો કહેવાય, એનું નામ જ મોહ. પોતાનું સ્વરૂપ ભૂલી જવું અને બીજા સ્વરૂપમાં આરોપણ કર્યા જ કરવું, હું મહાવીર છું, તે એનું નામ મોહ. મોહ એટલે બેભાનપણું. બેભાનપણું એટલે ‘પોતે’ કોણ છે તે નહીં જાણવું તે. ‘જે છે તે’ દેખાતું નથી ને ‘જે નથી તે’ દેખાય છે, એનું નામ જ મોહ. અહંકારનું સ્વરૂપ મોહ નથી, મોહનું સ્વરૂપ અહંકાર છે. અહંકારનું જન્મધામ મોહ છે. સાંસારિક હિતાહિતનું ભાન જતું રહે, તે મોહ. સંસારમાં કોઈ પણ જાતના દુઃખ છે, તે બધાનું કારણ મોહ છે. માર ખાય ને ભૂલી જાય, માર ખાય ને ભૂલી જાય, એનું નામ મોહ ! જેમ અજ્ઞાનતા વધે, મોહ વધે, તેમ મોહના સાધનો વધારે પ્રાપ્ત થાય અને પોતાની જાતને શુંય માને કે કેટલી મારી પુણ્યૈ કે મને આ બંગલો મળ્યો, પંખા મળ્યા ! એટલે મોહ વધારે વ્યાપ્યો છે. જેમ જેમ મોહ વધારે વ્યાપ્યો છે, તેમ તેમ ખાડામાં ઊંડો ઊતરતો જ ગયો. આ તો ઊલટો ફસાતો જાય છે. કાદવમાં ગરક્યા પછી નીકળવાનો જેમ જેમ પ્રયત્ન કરે, તેમ તેમ વધારે ફસાતો જાય, એવી દશા થાય. ક્યાં વીતરાગોનો મોક્ષમાર્ગ ને ક્યાં આ દશા ? જ્યાં જ્યાં મોહ પેસે, ત્યાં ત્યાં દુઃખ થાય. બહુ દુઃખ વેઠ્યા છે. જો તેની નોંધ કરેને તોય મોહ છૂટી જાય. છતાં મોહ ઊતરતો નથી ને માર ખવડાય ખવડાય કરે છે. ‘મહીં’ પડેલા ઘા રૂઝાઈ જાય છે તે મોહને લઈને જ. નહીં તો વૈરાગ જ આવી જાયને ? મોહના વ્યાપે, વ્યાપ્યો સંસાર આ તો સમાજના બંધારણના પ્રતાપે મોહ જરા ઓછો વ્યાપ્યો છે, નહીં તો મોહ પૂરેપૂરો વ્યાપી જાય, ચોગરદમથી પેસી જાય ! આ તો એવું છે ને, કે કંઈક બંધારણમાં આવ્યા અને જેને બંધારણ ના હોય તે એને શું થાય ? ક્રોધ-માન-માયા-લોભ બધો સ્ટૉક (જથ્થો) ઓછો થઈ જાય એવો વખત આવ્યો છે ને એ ઓછો થયો અને મોહ વધ્યો એક બાજુ. એટલે જોડેવાળા સોફાસેટ લાવ્યા હોય એટલે પોતે સોફાસેટને લાવવાની તૈયારીઓ કરે. સોફાસેટ વગર કંઈ ભઈ આપણે મરી જવાય એવું છે ? પેલી બાઈ કહે કહે કરે ને કે જોડેવાળા લાવ્યા ને તમે લાવતા નથી. અરે ભઈ ! આપણે દાળ-ભાત ખાવા માટે જોઈએ એટલે ખાવાની વસ્તુ, નેસેસિટી (જરૂરિયાત)ને નક્કી તો કરવી જોઈએને ! ધોરણ તો નક્કી ના કરવું જોઈએ કે શું શું નેસેસિટી છે ? વહુ કહેશે કે ‘આ આપણા સોફાની ડિઝાઈન સારી નથી. આ તમારા ભાઈબંધને ત્યાં ગયા હતાને, ત્યાં કેવી સરસ ડિઝાઈન હતી !’ અલ્યા, આ સોફા છે તેમાં તને સુખ પડતું નથી ? ત્યારે કહે કે ‘ના, મેં પેલો જોયો તેમાં સુખ પડે છે.’ તે ધણીને પાછા પેલા જેવો સોફો લાવવો પડે ! હવે પેલો નવો લાવે ત્યારે કો’ક ફેર છોકરો બ્લેડ મૂકે ને કંઈ કાપી નાખે કે પાછો મહીં જાણે આત્મા કપાઈ જાય ! છોકરાં સોફાને કાપે ખરા કે નહીં ? અને એની ઉપર કૂદે ખરા કે ? અને કૂદે તે ઘડીએ જાણે એની છાતી ઉપર કૂદતો હોય એવું લાગે. ત્યાં તો આટલું જરાક થયું હોય તો મહીં તિરાડો પડે. એટલે મોહની કંઈક હદ હોવી જોઈએ. બેહદ મોહ હોય નહીંને ? સોફાસેટમાં તિરાડો પડે તો કંઈ થાય ખરું લોકોને ? પ્રશ્નકર્તા : હા, થાય. ભયંકર, ‘તારામાં અક્કલ છે કે નહીં, શું કર્યું આ ?’ બૂમાબૂમ કરી નાખે. દાદાશ્રી : કૃપાળુદેવ શું કહે છે ? ‘દેહ જાય તો માયા થાય ન રોમમાં’ અને આ તો અહીં સોફાસેટ પર કાપો પડે તો માયા થાય, ક્યારે પાર આવશે આનો ? અનાદિ અવતારથી આ ભટક ભટક કર્યા. મોહ કેટલો બધો ? આવા તકિયા ને આવી ગાદી ને આવા ફલેટ. નર્યો મોહ, વગર કામનો મોહ કર્યો, આ માથે લઈ જવાનો છે, કંઈ જોડે લઈ જવાનું છે ? એટલે આ મોહ છે તે મોહ જ તમને કૈડી કૈડીને તેલ કાઢી નાખશે ! અત્યારે જે મોહ દેખાય છે તે જોવાનો મોહ છે અને આ મોહથી ઠોકરો ખાઈ ખાઈને દમ નીકળી ગયો છે ! મોહના ચકરાવે આવે બેભાનપણું આ તો પોતે જંજાળથી વીંટાય છે. રોજ રોજ વધારે ને વધારે વીંટાય છે. ઘરમાં બાગ ન હતો, તે લોકોનો બાગ જોઈને પોતે બાગ ઊભો કરે. પછી ત્યાં ખોદ ખોદ ખોદ કરે, ખાતર લઈ આવે છે, પાછો પાણી નાખ નાખ કરે છે. ઊલટું આ જંજાળ વધાર વધાર વધાર કરે છે, મૂઓ. પ્રશ્નકર્તા : પોતાને કેમ ખબર ના પડે કે આ મોહ છે ? દાદાશ્રી : આ પંખાને ખૂબ જોશમાં ફેરવે તો પંખાની પાંદડીઓ દેખાય ખરી ? પ્રશ્નકર્તા : ના દેખાય. દાદાશ્રી : એમ જ્યારે મોહ જોશમાં હોયને, તે આ જગતની કોઈ ચીજ ભાન(માં) જ ના આવે, દેખાય જ નહીં કશું, બેભાનપણું જ થઈ જાય. એટલો બધો જોશમાં મોહ ફર્યા કરે. એ મોહ ઓછો થતો જાય તેમ પાંદડી દેખાતી જાય. તે મોહ ઓછો થતો જાય તેમ દેખાતું જાય, ત્યારે આત્માનો અનુભવ થતો જાય. ત્યાર પછી એની ખાતરી થાય. હા, નહીં તો એમને પાંદડી જ દેખાય નહીં, એમને પેલું ચકરડું એકલું જ દેખાય છે. એવો મોહ છે, મોહનો સ્વભાવ ! જ્ઞાનીકૃપાએ છૂટે દર્શનમોહ પ્રશ્નકર્તા : તે મોહની ગાંઠ શેનાથી તૂટે ? દાદાશ્રી : મોહની ગાંઠ તો જ્ઞાની સિવાય ઓગાળી શકે જ નહીં. મોહ તો, અમને ભેગા થાય ને એને કહીએ કે ચંદુભાઈ તમે ન્હોય, તો કહે, ‘હું તો ચંદુભાઈ’, આ મારા મા-બાપ કહે છે, બધા કહે છે, મારા વાઈફ કહે છે ને તમે આવું કેવું બોલો છો ? ‘અરે ભઈ, ન્હોય તમે ચંદુભાઈ. તમારું નામ છે આ તો.’ ત્યારે એને શંકા પડે, કે વાત તો સાચી છે. નામ છે આ તો મારું. ત્યારે હું કોણ ? પછી ગોટાળે ચડે એ. ત્યાર પછી એ દાદા દેખાડે ત્યારે પહેલો દર્શનમોહ તૂટે. આંધળા પાટા છૂટી જાય, આંધળાપણાના, દેખતો થાય. આંધળો પાટા લઈને ફરતો’તો ને હવે દેખતો થાય. તે દર્શનમોહ તૂટ્યો પછી દેખાવા માંડ્યું કે લોક કહે છે ‘કેમ આટલી બધી જણસો પહેરી છે તે ?’ આટલો બધો મોહ ? એ તમને નહીં ખબર પડે કે આ મોહ છે. પણ તે આ મોહ, ચારિત્રમોહ. એટલે પહેલા જે મોહ ભાવ કરેલા તેનું આ ફળ આવ્યું. આ ઈફેક્ટ છે, નોટ કોઝીઝ. કોઝીઝ બંધ થઈ ગયા. જેના કોઝીઝ બંધ થયા એનો મોક્ષ થશે. પ્રશ્નકર્તા : દાદા, બીજી કઈ રીતે દર્શનમોહ છૂટે ? દાદાશ્રી : બીજો કોઈ રસ્તો નથી. મોહના તો અનંત પ્રકાર છે. તેનો પાર આવે તેમ નથી. એક મોહ છોડવા લાખ અવતાર કરવા પડે તેવું છે. મનુષ્યપણું એ તો મોહનું સંગ્રહસ્થાન જ છે ! ‘સ્વરૂપ જ્ઞાન વિના દર્શનમોહ જાય તેમ નથી.’ દર્શનમોહ એટલે શું, કે આમ બધું જુએ છે તેને બદલે પાછલી બાજુ દેખાય એવું જુએ (સંસારી દ્રષ્ટિથી જુએ). એ દ્રષ્ટિ ફેરવી આપે જ્ઞાની પુરુષ, પોતાની મેતે (મેળે) ફરે નહીં. જ્ઞાની દ્રષ્ટિ ફેરવી આપે. આ સંસારદ્રષ્ટિ છે અને પાછળ આત્મદ્રષ્ટિ છે. તે આત્મદ્રષ્ટિ ભણી દ્રષ્ટિ કરી આપે. પછી છે તે એને સમજાઈ જાય કે ‘આ હું ચંદુભાઈ નહીં પણ શુદ્ધાત્મા છું.’ હવે મોહ ફરી ઉત્પન્ન ના થાય, નહીં ? અને ચારિત્રમોહ ગમે નહીં. થાય ખરો પણ ગમે નહીં કે ભઈ, હવે ના હોય તો સારું. હવે એ તો આ મહાત્મા હોય, તેને સમજણ પડે. આ બહારનો જો બુદ્ધિશાળી હોય તો સમજણ પડે, કે આ તો મોહ કંઈ ઘટી ગયેલો છે, એવું ખબર પડે. મોહમાંથી તાર્યા અક્રમ વિજ્ઞાને હજુ તો કપડાં સારા પહેરીએ છીએ, ઘડિયાળ જોઈએ છે, ચશ્મા જોઈએ છે, આમ જોઈએ છે, તેલ જોઈએ છે, અત્તર જોઈએ. આટલો બધો મોહ, કેટલા બધા મોહમાં તમે રહો છો ! તમારી થાળીમાં બધો મોહ જુએને, તમારા કપડાંનો મોહ જુએ, તમારા ફ્લેટોનો મોહ જુએ તો તમને (તમારા) પહેલાના કોઈ (મિત્ર) આવેને, તે આવીને કહેશે, ‘અરે ! મોક્ષની વાત શું કરવા કરો છો ?’ અને એવામાં છે તે આ વીતરાગ વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાને તમને તાર્યા એય અજાયબી જ છે ને ! મોહથી ચોંટે ચિત્ત વસ્તુમાં પ્રશ્નકર્તા : દાદા, મારામાં મોહ ઘણો હશે અને બધામાં ઓછો હશે ? દાદાશ્રી : એક જરાક અમથું મોહનું બીજ હોય, તે જ્યારે વ્યક્ત થાય ત્યારે આખા જગતમાં વ્યાપી જાય તેવું છે. માટે ઓછો કે વધારે એમાં સમજણે ફેર નથી. જ્યાં સંપૂર્ણ મોહ ક્ષય થાય ત્યારે જ કામ બને. પ્રશ્નકર્તા : મોહને ઓળખવાનો રસ્તો શું ? મોહ કેવી રીતે ઓળખાય ? દાદાશ્રી : મોહને તેં શી રીતે ઓળખી કાઢ્યો કે આ મોહ છે એવું ? પહેલેથી ઓળખું, નહીં ? પ્રશ્નકર્તા : પછી ખબર પડે. થઈ ગયા પછી, પહેલેથી ના પડે. દાદાશ્રી : એમ ? હા, પણ પછી ખબર પડે, નહીં ? આપણે મુંબઈમાં ચંદુભાઈ તમે બે જણા આવતા હોય, તું ને તારા વાઈફ બેઉ અને પેલા વેપારીઓ સાડી દુકાનની બહાર લટકાવે, તે શા માટે રોડ ઉપર લટકાવતા હશે ? સૂકવવા હારુ ? સૂકવવા માટે નહીં ? તો શા હારુ ? કહોને, શા માટે ? પ્રશ્નકર્તા : લોકોનું ધ્યાન જાય એટલે. દાદાશ્રી : આપણે વેપારીને પૂછીએ કે ‘ભાઈ, તેં આ સાડીઓ સૂકવવા મૂકી છે ?’ ત્યારે એ કહે, ‘ના, એ શો(દેખાડો) કરવા હારુ. લોકોને આકર્ષણ કરીને એમની પાસેથી પૈસા લેવા છે. મારે વેપાર કરવો છે.’ ‘અરે પણ સાડી, આ જડ વસ્તુ આકર્ષણ કરશે ?’ ત્યારે કહે, ‘ભલભલાને આકર્ષણ કરશે. પહેરનારીને આકર્ષણ કરશે ને પહેરનારા ના હોય તે પુરુષનેય આકર્ષણ કરશે.’ આ સાડીમાં તો આટલી બધી શક્તિ મૂકી છે ! આ ખુદા ભરમાય, આ ખુદા મહીં ચોંટી પડે એટલા હારુ લટકાવે. ખુદા ફસાઈ જાય કે ના ફસાય ? પ્રશ્નકર્તા : ફસાઈ જાય. દાદાશ્રી : એ શાના જેવું છે સાડી (લટકાવવાનું), કે આપણે પાંજરું હોય ને એની મહીં ઢેબરું લટકાવી રાખીએ, એ શાના હારુ છે ? આ ઉંદરને મહીં ઘાલવા હારુ. એવું આ રાખે, કોઈ જોશે એનું ચિત્ત હરાઈ જશે. તે સ્ત્રીને ખેંચે એટલે બહાર જાળ મૂકી છે કે કોઈ ચકલું (ઘરાક) ફસાય છે આની મહીં ! એ ચકલા ફસાવવા માટે લટકાવે છે બહાર. તે આ બહેનો તો એ જોઈને (આપણી) પાસે ડૉલર હોય એ જાણે એટલે એનું ચિત્ત ચમકે. એટલે કહે કે બહુ સરસ સાડી છે. એ પછી ચિત્ત ત્યાં જ ચોંટી જાય. તે સાડી બાઈએ જોઈ અને ધણીને કહે છે, ‘જોઈને તમે ?’ ત્યારે ધણી જાણે કે આપણે માથે પડશે. ‘હા, જોઈ, જોઈ, એવી બધી બહુ હોય છે’ એમ કહે. એ બાઈને પટાવવા ફરે પણ આ પટે નહીં ને પછી બાઈની ચિત્તવૃત્તિ ચોરાઈ ગઈ ત્યાં આગળ. તે બાઈ ઘેર આવે પણ ચિત્ત તો ત્યાંનું ત્યાં જ દુકાને સાડીમાં જ હોય. અને પછી બાઈ ઘેર આવે ને ત્યારે આપણે મોઢું જોઈએ તો, ‘આપણે નીકળ્યા હતા ત્યારે હતું તેવું તારું મોઢું નથી. બજારમાં કશુંક ખોવાઈ ગયું.’ આપણે કહીએ, ‘કેમ આમ મોઢું દેખાય છે ? તને આજે ઠીક નથી કે શું ? મોઢું ઊતરી ગયું છે ને !’ ત્યારે કહે, કશું નહીં, કશું નહીં. તે તેને બિચારાને શી ખબર કે આ તો ઘેર હરે છે, ફરે છે તે તો ધોકડું જ છે. બાકી, બાઈનું ચિત્ત તો દુકાને સાડીમાં જ છે. એ સાડીમાં ખોવાઈ ગઈ હોય. ચિત્ત ત્યાં ચોંટી ગયેલું હોય, એટલે બેચિત્ત થાય. પછી એને ચેન ના પડે કશું. એ તો જ્યારે સાડી લાવે ત્યારે ચેન પડે. ‘આખું ચિત્ત ચોરાઈ ગયું છે, બિચારીનું. હવે સાડીમાં ને સાડીમાં ચિત્ત રહ્યા કરશે.’ બળી તારી સાડી મૂઆ ! ત્યાં આખું ચિત્ત ચોરાઈ જાય એનું નામ મોહ. આ એવું તમારું ચિત્ત ક્યાં ક્યાં બધે ખોવાઈ ગયું હશે ? મોહ થાય ચાર્જ, તન્મય થવાથી રસ્તે જતા બાઈએ દુકાનમાં સાડી જોઈ એટલે તે તેમાં તદાકાર થાય. દુકાનમાં સાડી જોઈ તેનો વાંધો નથી પણ તેનો મોહ ઉત્પન્ન થયો, તેનો વાંધો છે. સાડી જોઈ ને ગમી તે ડિસ્ચાર્જ મોહ છે પણ તેમાં બાઈ તદાકાર એવી થાય કે જે મોહ ડિસ્ચાર્જ થવા માંડેલો, તે ફરી ચાર્જ થાય. આને જ ભગવાને ચાર્જ મોહ કહ્યો છે. બાઈ સાડીમાં તદાકાર એવી થાય, કે સાડી સવા છ મીટરની હોય તો બાઈ પણ સવા છ મીટરની થાય ! સાડા ત્રણ મીટર પહોળી હોય તો તે પણ સાડા ત્રણ મીટર પહોળી થાય ! ને તેમાં સાડીમાં ડિઝાઈનમાં જેટલા ફુલ હોય કે આભલા હોય તેટલા બાઈને પણ થાય. તેમાં જ પ્રતિષ્ઠિત આત્મા રમ્યા કરે. આપણને મૂર્છિત કરે, બેભાન કરે, એ મોહ કહેવાય. ઓગળવા દો એ મોહને પ્રશ્નકર્તા : દાદા, સાડીઓનો બહુ મોહ, સારું સારું પહેરવાનો. એ હવે કાઢવો છે, અહીંયા મૂકી દેવો છે બધો ! દાદાશ્રી : એવું છે ને, ઉપર હવે વહેર-બહેર (લાકડાનું ભૂસું) બાંધશો નહીં. આપણે બરફ લાવ્યા ઘેર. મેં કહ્યું કે બરફ લાવીને મૂકી રાખો. મારે ઓગાળવો પડે કે એની મેળે ઓગળ્યા કરે ? પ્રશ્નકર્તા : એની જાતે ઓગળે. દાદાશ્રી : તેને શું કરે પાછા ? વહેર બાંધે પાછું. અને પછી કહેશે, કાઢી આપો. એ તો એની મેળે ઓગળ્યા જ કરે. એ તો બરફનો સ્વભાવ એવો છે. જેવી મહીં વાસના, તેવા પરિણામ પ્રશ્નકર્તા : પણ હજુ એ મોહ થાય, એનું શું કારણ ? દાદાશ્રી : એ વાસના (ઈચ્છા) છે પૂર્વભવની એટલે હરે છે. વાસના ના હોય તો ના હરે. જેમ ફોરેનની કોઈ બઈ આવી હોય, એ ગમે એવી સાડી લટકાવેલી હોય દુકાનમાં તોય એને મહીં અંદર વાસના ભરી નથી એટલે એનું ના હરે. અગર લેડી(સ્ત્રી)નું કાપડ હોય અને ગમે એટલું ઊંચું હોય તોય પુરુષ લોકોને ના હરે. કારણ કે વાસના એ ભરી નથી એણે. જે ભરી છે તે આપણને અત્યારે ઉદય આવે છે. ઉદય આવે તે ઘડીએ આપણે કોણ છીએ, એવું જાણીએ તો વાસના છોડી દઈએ પછી. નકામું નહીં તો આનો છૂટકારો જ નથી. અહંકારે કરીને જોર કરવું જોઈએ કે મારે સાડીઓ-બાડીઓ કશું લેવું જ નથી. બસ, એવું નક્કી કરે તો પાછું મન પણ મજબૂત હોય છે, બધું કરી શકે. મનના સમાધાને અટકે વાસના પ્રશ્નકર્તા : પૂર્વજન્મના ઉદયકર્મને હિસાબે આપણને જે ઈચ્છા ઉદ્ભવી, એને જો આપણે મનોબળથી કાબૂમાં રાખીએ કે ના, આ દિશામાં નથી જવું એમ સંયમથી, તો એ ફરી પાછી ઊભી થાય ? દાદાશ્રી : થાય, જ્યાં સુધી મનનું સમાધાન ન થાય ત્યાં સુધી થાય. દબાયેલું ન ચાલે, એ વાસના તો છોડે નહીં. આપણું જ્ઞાન સર્વ સમાધાની છે, એટલે મહીં ‘હું તો શુદ્ધાત્મા છું’, એ છતાંય વાસના ઊભી થાય તો આપી દેવું પડે. કારણ કે આ ભવમાં નિવેડો જ ના આવતો હોય, જો છોડતું જ ના હોય મન, તો એને આપી દેવું જોઈએ. પંદર દહાડા સુધી મન એને છોડતું જ ના હોય, તો પછી એને આપી દેવું પડે. પ્રશ્નકર્તા : મનનું સમાધાન કરવું જોઈએ ? દાદાશ્રી : કરવું જ જોઈએ, નહીં તો ડખો થાયને ! પ્રશ્નકર્તા : હા, નહીં તો પછી મન તો જાવા નાખ્યા કરે. દાદાશ્રી : એ તો ઉપાધિ થાય બધી. આપણો પુરુષાર્થ થવા ના દે. પ્રશ્નકર્તા : મનોબળથી એ ઈચ્છા જો છૂટી જ જાય, એ વાસના છૂટી જ જાય અને પછી યાદ જો ન આવે ? દાદાશ્રી : તો વાંધો નથી. પ્રશ્નકર્તા : તો એ પછી ભોગવવી ન પડેને ? દાદાશ્રી : ના, ના, તો વાંધો નથી. આપણે મહીં ડંખ ના રહેવો જોઈએ. ડંખ હશે તો ફરી ઉથામીને તમે ફરી કરો. સીધેસીધું ચોખ્ખેચોખ્ખું થઈ જતું હોય અને ક્લેઈમ (દાવો) ના રહેતો હોય મનનો, તો બસ થઈ ગયું. મનનો કોઈ પણ પ્રકારનો ક્લેઈમ ના રહેવો જોઈએ. પ્રશ્નકર્તા : આ વખતે જે તમે આ ઉપમા આપી એ બહુ ગમી કે પેલી એ ફોરેનની સ્ત્રીને કદીએ સાડીની ઈચ્છા નહીં થાય. દાદાશ્રી : પેલા કહેશે, આજે અમારે અડધી કિંમતે આપી દેવી છે. તોય કહેશે, પણ મારા કામની નહીં. તું મફત આપું તોય મારા કામની નથી. કારણ કે એ વાસના નથી કરેલી. અને જેણે વાસના કરેલી એને છોડે નહીં. હવે તે છોડે ક્યારે કે વાસના મોળી કરેલી હોય તો મન અત્યારે એને કેન્સલ (રદ્દ) કરી શકે અને વાસના કડક કરી હોય, તો મનના બાપનુંય ચાલે નહીં. એટલે ત્યારે આપણે એને કહીએ કે લે ભઈ, કેરી ખઈ લે. આ મેં તમને કહ્યું હોય કે કેરી ના ખાશો. તોય આપણે અહીંયા એ મને પૂછી જવાનું કે દાદા, આ હવે નથી છોડતું માટે કહોને કંઈ ! તો હું કહું કે ‘કેરી ખઈ લે’, વાંધો નથી કશું. કંઈ આ ઝેર નથી. આપણે નથી ખાવું, પણ એ ખાવું પડે છે એ પોઈઝન હોતું નથી. પૂરણ થયેલું થાય ગલન પ્રશ્નકર્તા : એટલે દાદા, ખરેખર એને (વાસનાને) જ્ઞાનથી દબાવી છે કે નહીં, એની પારાશીશી મળેને કે યાદ ના આવે ? દાદાશ્રી : એ દબાવેલું છે તે એટલે જ્યારે યાદ ના આવેને તો એ નિવેડો થયો એમ કહેવાય અને યાદ આવે તો પછી હજુ એ છાલ મૂકતું નથી, એવું સમજી લેવાનું કે આ છાલ મૂકતું નથી તો ‘લે તારું, લઈ જા અહીંથી.’ પ્રશ્નકર્તા : હંઅ, હા, લઈ જા. દાદાશ્રી : ‘આ દાદાની આજ્ઞા નહીં પાળું પણ તું લઈ જા અહીંથી.’ પછી દાદા પાસે હું દવા કરી લઈશ, કહીએ. દાદા એવા નથી, દાદા પાસે બધી જ દવા છે. આજ્ઞા ના પાળી હોય તેનીય દવા છે. મને આવીને કહો કે મારાથી આજ્ઞા પળાઈ નથી, મારી પાસે દવા છે. બધી દવા હોય તો દવાખાનું કહેવાયને ? પ્રશ્નકર્તા : હા, બધી દવા હોય તો દવાખાનું કહેવાય. વાત બરોબર છે, દાદા. દાદાશ્રી : ચૌદ વર્ષે આ મોહની ઘણી ખરી ટાંકી ખલાસ થાય છે. એટલે પૂરણ થયેલું ગલન થઈ જાય છે, પછી તમને બહુ બોજો નથી. સંસારજાળમાં ફસાય મોહથી અલ્યા, જંજાળમાં ફસાયેલા માણસને શોખ હોય ? ઝટપટ ઉકેલ લાવોને ! આવી જંજાળમાં ફસાયા છે તોય હીરા દેખાડવા ફરે છે ! કાનમાં લવિંગિયા ઘાલે છે તે પોતાને દેખાય ખરા ? આ તો લોક હીરા દેખે એટલા માટે પહેરે છે. ધણી કહે તો ધણીને સારું દેખાડવા માટે પહેરીએ. શેઠ બે હજારના હીરાના કાપ લાવ્યા હોય ને પાંત્રીસ હજારનું બિલ લાવે તો શેઠાણી ખુશ ! કાપ પોતાને તો દેખાય નહીં. શેઠાણીને મેં પૂછયું કે ‘રાત્રે ઊંઘી જાઓ છો, ત્યારે કાનના લવિંગિયા ઊંઘમાંય દેખાય છે કે નહીં ?’ આ તો માનેલું સુખ છે, ‘રોંગ’ માન્યતાઓ છે. તેથી અંતરશાંતિ થાય નહીં. આ સ્ત્રીઓ સોનું પહેરે છે, તે શેનાથી ? મૂર્ચ્છાથી. આ પાંચ શેરના દાગીના આપ્યા હોય તો તેય પહેરે. એ બધી મૂર્ચ્છા છે. એ સ્ત્રીઓને પાછો ભારેય નથી લાગતો. મેં કહ્યું, ‘આ તમને બોજો નથી લાગતો ?’ ના, ના, એ તો બહુ આનંદ થાય છે. કારણ (સુખ) માન્યું છે ને ! સોનું એ માન્યતા છે એની, વિસારે પડી જાય દુઃખ બધા. મોહ હોય તેથી લઈ આવે જણસો. જણસો એ મોહ હોય ત્યાં સુધી લઈ આવવી અને જણસોનો મોહ ઉતરી ગયો એટલે આપી દેવી. વસ્તુના સ્પર્શે સ્ફૂરે મોહ પ્રશ્નકર્તા : દાદા, મને હવે દાગીનાનો મોહ નથી પણ કપડાં જરા સારા જોઈએ હજુ. દાદાશ્રી : એ બધાય મોહ જ છે. હમણાં દાગીના ના હોય અને દાગીના પહેરે ત્યારે પાછો મોહ એનોય ચડે. પ્રશ્નકર્તા : ના દાદા, એની ગેરેન્ટી. દાદાશ્રી : ના, એ તો હીરા પહેરેને તો હીરાનો મોહ ચડે. આ તો સ્વભાવ છે, વસ્તુ અડી કે મોહ તે ચડ્યો, મોહીને. નિર્મોહીને કશું અડે તોય વાંધોય નહીં. એક માણસને આખી જિંદગી જેલમાં બેસી રહેવાનું થાય અને તેને ખાવાનું મળી રહે પણ જલેબી-લાડું ના મળે, તેથી કંઈ તેનો મોહ ઓછો જતો રહ્યો ? ના, અંદર તો મોહ હોય જ. મળતું નથી, માટે મોહ ગયો ના કહેવાય. પ્રશ્નકર્તા : આ શરીર છે એનું સરખું ધ્યાન રાખું એવો બધો મોહ ખરો. આ જો વાળ તો સફેદ કેટલા છે, એ વાળ તો ડાઈ (કાળા) કરવાનો મોહ જાય નહીં. દાદાશ્રી : હા, જાય નહીં. પ્રશ્નકર્તા : એ જોઈએ, દાદા એમ જાણે થયા કરે કે જરા આમ સરખી રીતે રહીએ-કરીએ. દાગીના નહીં પણ કપડાં જરા સરખી રીતે જોઈએ. દાદાશ્રી : એ તો પહેલાની આદત પડી છે તો જાય નહીં, પણ આપણે અંદરખાને કહેવું કે ચંદુભાઈ જરાક તો ફેરફાર થઈ જાવ. આમ ક્યાં સુધી કાળા વાળ કરશો ? પણ એ કાળા વાળ કર્યા વગર રહેવાના નથી પાછા. પ્રશ્નકર્તા : હા, એ જ થાય છે. દાદાશ્રી : કારણ કે એ તો દ્રવ્યકર્મ છે પણ ભાવ આપણે ફેરવી દેવાના. પૂર્વે ભરેલો મોહ, થાય ડિસ્ચાર્જ આ ભવે પ્રશ્નકર્તા : દાદા, હજુ આ મોહ ઉત્પન્ન કેમ થાય છે વધુ ? દાદાશ્રી : એવું કેમ બોલાય આપણાથી ? મને પૂછયા વગર માર્કેટમાં તમે ગયા હોય, પછી શું શું શાક ભરી લાવો ? ગજવામાં પૈસાની છૂટ હોય તો શું ના ભરી લાવો તમે ? પ્રશ્નકર્તા : બધુંય, ના જોઈતુંય ભરી લવાય. ના જોઈતુંય આવી જાય. દાદાશ્રી : એટલે આનો આ ભરતી વખતે બધો માલ ભરેલો. બધુંય ના જોઈતું જ લાવ્યા છો. મહીં થોડુંક જ જોઈતું’તું. એટલે મેં ના જોઈતું નહીં ભરેલું. પોતાનું સુખ શેમાં ? આ બધો બોજો છે, મોહ છે. મૂર્ચ્છા(વાળો) સહન કરી શકે, મૂર્ચ્છારહિત કોઈ ન સહન કરી શકે. હું તો ચીજ કશું લાવ્યો જ નથી. એ મોહ જ નહીં. કોઈ પણ જાતનો મોહ નહીં. એવી કોઈ ચીજ જ નથી કે મને મોહ ઉત્પન્ન થયો હોય ! અને ઘેરેય કશું લાવ્યોય નથી હું. ઘેર કોઈ દહાડો કશું વસાવેલુંય નહીં. પ્રશ્નકર્તા : મોહ જ ઉત્પન્ન નથી થયો, પછી ક્યાંથી ઈચ્છા થાય ? દાદાશ્રી : સ્વતંત્રતામાં સુખ માનેલું. આ તો બધી નરી જંજાળ છે. આ તો સુખ છે કંઈ ? છૂટકો નથીને ! પણ તમે ક્યાં જાઓ ? આ સુખ ના ભોગવો તોય ક્યાં જાઓ ? દુઃખેય ભોગવવું પડે અને સુખેય ભોગવવું પડે. કર્મના લખેલા છે ને હિસાબ છે ને ! જ્ઞાન મળે તો જ સુખ અને દુઃખ બેઉ હોય તે પલટાઈ જાય. આ મોહ ભોગવટો તો છે જ પણ ભોગવટો જ્ઞાનના પ્રતાપે અસર ના કરે. આજકાલ આ લોકોને કંઈ સેન્સ (અક્કલ) જ નથી. પોતાનું સુખ શામાં છે એ ભાન જ નથી અને પોતાનું પણ ભાન ક્યાં છે ? એ તો લોકોએ જે ભાન આપ્યું તે જ ભાન છે. મોહમાં વેડફાઈ રહ્યું કિંમતી જીવન આ જીવડાં (મનુષ્યો) કશું ના હોય તો રેડિયા, ટી.વી.ની મસ્તીમાં ને મસ્તીમાં હોય. ટી.વી. જુએને, તે તેમની આંખો બગાડે છે. કંઈ બીજાની આંખોથી ઓછાં જુએ છે ? અને એમાં શું આનંદ આવે ? સિનેમામાં તો આનંદ મળતો હશેને ? પ્રશ્નકર્તા : એ તો બહાર નીકળ્યા ત્યારે એના એ જ. દાદાશ્રી : હતો તેનો તે જ પાછો. કહેશે, અઢાર રૂપિયા તો વપરાઈ ગયા, ઊલટી ઉપાધિ થઈ. ટાઈમ ત્રણ કલાક ખોયો, આત્માનો. મનુષ્ય જન્મના ત્રણ કલાક બગાડાતા હશે ? પ્રશ્નકર્તા : એ બીજા આગળ-પાછળેય બગડેને પાછા ! એ ત્રણ કલાક તો જાય ને આગળ-પાછળ તૈયારીના ને એમાં જાય. દાદાશ્રી : હા, એ જુદું પાછું. એ ટાઈમ જુદો. લોકોને હું પૂછું છું, ‘ચિંતા થાય ત્યારે શું કરો છો ?’ ત્યારે કહે, ‘સિનેમામાં જતો રહું છું.’ અલ્યા મૂઆ, સાચો ઉપાય ન્હોય આ. આ તો અગ્નિમાં પેટ્રોલ નાખીએ હોલવવા સારું, એના જેવી વાત ! કૃષ્ણ ભગવાન ગીતામાં એ જ કહી ગયા કે ‘મનુષ્યો અનર્થ ટાઈમ વેડફી રહ્યા છે.’ કમાવા માટે નોકરીએ જાય એ તો કંઈ અનર્થપૂર્વકનું ના કહેવાય. લોક શરીરે ગંધાતો કાદવ ક્યારે ચોપડે ? એને લ્હાય બળે ત્યારે. એવું આ ટી.વી., સિનેમા, બધું ગંધાતા કાદવ કહેવાય. એમાંથી કશો સાર ના નીકળે. અમને ટી.વી. જોડે ભાંજગડ નથી. દરેક વસ્તુ જોવાની છૂટ હોય છે. પણ એક બાજુ પાંચ ને દસ મિનિટે ટી.વી. હોય ને એક બાજુ પાંચ ને દસ મિનિટે સત્સંગ હોય, તો શું ગમે ? અગિયાર વાગે પરીક્ષા હોય ને અગિયાર વાગે જમવાનું હોય તો શું કરો ? એવી સમજણ હોવી જોઈએ ને ! મોહ ના સ્પર્શે જ્ઞાનીને અમારી પાસે વ્યવહાર જાગૃતિ તો નિરંતર હોય. કોઈ ઘડિયાળની કંપની મારી પાસે પૈસા લઈ ગઈ નથી. કોઈ રેડિયોવાળાની કંપની મારી પાસેથી પૈસા લઈ ગઈ નથી. અમે એ વસાવ્યા જ નથી. આ બધાનો અર્થ જ શો છે ? ‘મીનિંગલેસ’ (અર્થહીન) છે. અને આ બીજું બધું રેડિયો-ટી.વી. તો પ્રત્યક્ષ ગાંડપણ છે, પ્રત્યક્ષ ‘મેડનેસ’ છે. આ ગાંડપણ ક્યાંથી પેસી ગયું આ બધું ? આમાં શું સાંભળવાનું ? માણસો સામસામી બોલે તે સાંભળવાનું. જીવતાનું સાંભળીએ, આ મરેલાનું શું સાંભળવાનું ? મને તો ઊલટા ફ્રેન્ડ સર્કલ (મિત્ર વર્તુળ) શું કહે ? ‘આ રેડિયો સાંભળવો જોઈએ.’ મેં કહ્યું, ‘આ રેડિયો સાંભળું, એ મારો ટાઈમ બગડે. એ મને ના પોષાય એ બધું.’ આ તો મૂઆ, એની વાત સાંભળું ! આ બધું સાંભળી-સાંભળીને તો આ કાન કંટાળી ગયા છે, આ રેડિયા બધા સાંભળી. આ ચાલુ રેડિયા નહીં જોયેલા બહાર ? તે સાંભળી આપણા કાન કંટાળી જાય, નહીં આવું જોયેલું ? તો આ રેડિયો પાછો નવો સાંભળવો ? આ ચાલુ રેડિયા બધા સાંભળીને કાન કંટાળી નથી જતા ? ‘એય ચંદુ, તારામાં અક્કલ નથી.’ તે આપણે એ રેડિયો સાંભળીને જો કંટાળી ગયાને ? તે આ પાછા નવા રેડિયા, કાને પાડવા ! દેખાદેખીના મોહે વધ્યો સંસાર પ્રશ્નકર્તા : આજકાલ તો રેડિયો તો ઘર-ઘરમાં છે. દાદાશ્રી : એ વાત જુદી છે. જ્યાં જ્ઞાન જ નથી ત્યાં આગળ શું થાય ? એને જ મોહ કહેવાયને ! મોહ કોને કહેવાય છે ? ના જરૂરિયાત ચીજને લાવે ને જરૂરિયાત ચીજની કસર વેઠે, એનું નામ મોહ કહેવાય. કોઈ રેડિયો લઈ આવ્યો, એટલે પેલોય રેડિયો લઈ આવ્યો. અલ્યા મૂઆ, બધે રેડિયા વાગે છે, ઊલટા કાન ફૂટી જાય છે. એ તો રેડિયો મુંબઈ એકલામાં જ હોય ને અહીં ના હોય તો એકાદ લાવવો પડે. આ તો ઘેર ઘેર રેડિયા. તે ઊલટા લોક કંટાળી ગયા. રેડિયાય બંધ થઈ ગયા. પ્રશ્નકર્તા : આ વિડિયો લાવવાનો મોહ બહુ થયેલો મને. દાદાશ્રી : હા તે હોય, પણ એ મોહ છે તે ભરેલો મોહ છે ને એટલે લઈ આવવું ને પછી મોહ પૂરો થઈ રહ્યો તો વેચી દેવું. જે રૂપિયા ગયા એ મોહ ખાતે ઉધાર. પ્રશ્નકર્તા : તે શરૂઆતમાં બહુ જોયું. પછી બંધ કરી દીધું. પછી એની મેળે બંધ થઈ ગયું. દાદાશ્રી : હા, એ જ. આ પેલો ભરેલો મોહ છે તે નીકળી ગયો. હવે નવો મોહ ઉત્પન્ન થતો નથી, જૂનો મોહ છે. નવો ઉત્પન્ન થતો હોય તો તમારે આ છૂટે નહીં. બળાપો કરાવે એ મોહ શું કામનો ? આ તમારે આખા દહાડામાં કેટલી વખત ઘડિયાળ જોવી પડે ? પ્રશ્નકર્તા : વીસ-ત્રીસ વખત. દાદાશ્રી : તો પછી આ ઘડિયાળ જોવાનું પચાસ-સાઠ સેકન્ડ ખાઈ જાય ! પ્રશ્નકર્તા : તો ઘડિયાળ નહીં રાખવી જોઈએ ? દાદાશ્રી : રાખવી જોઈએ. પણ આપણે અરધો માઈલ છેટે કોઈ ઘડિયાળ રાખતો હોય તો રાખવી પડે, પણ અત્યારે તો રસ્તે જનારને પૂછીએ તોય ટાઈમ કહે. તે બધા નવરા જ છે, નવરાશવાળા. આ મારું ગણિત તમને પ્રિય છે ? ઠેર ઠેર ઘડિયાળ, તે કેટલા વાગ્યા પૂછો, તે ઊલટો ‘મને પૂછયું ?’ એમ ખુશ થઈને ટાઈમ કહે. ઘડિયાળેય, જો મેં એટલે હાથનું ઘડિયાળ ખરીદ્યું નથી. હં, પેલું ઘરમાં મૂકવાનું લાવ્યા છીએ. આ તો બધી મેડનેસ છે, ઘનચક્કર બનાવવાના કારખાના છે. જે ઘડિયાળે મને હેરાન કર્યો, જેને જોતાની સાથે જ મહીં તેલ રેડાય એ શું કામનું ? ઘણાને પોતે વાંચતો ના હોય, ચોપડી આઘી મૂકીને રમતમાં પડ્યો હોય ને અચાનક બાપને દેખે તો તેને મહીં તેલ રેડાય, એવું આ ઘડિયાળ દેખતાની સાથે તેલ પડ્યું તો બળ્યું મેલ ઘડિયાળને છેટું ! ચિત્ત ફ્રેક્ચર થયે, ઐશ્વર્ય ફ્રેક્ચર થાય બાકી આ તો ચિત્તની પરવશતા છે. ચિત્ત છે તે ફ્રેક્ચર થઈ જાય છે. એટલે ચિત્ત સંપૂર્ણ એકાગ્ર વર્તે તો પરમાત્મા છે અને ફ્રેક્ચર થયું તો પછી જાનવર કે મનુષ્યપણું થઈ ગયું. પછી ઐશ્વર્ય ફ્રેક્ચર થાય છે. એટલે જેટલા દાટા મરાય એટલા તો દાટા મારવા જોઈએ ને કે ના મારવા જોઈએ ? જેટલા પાણી લીકેજ હોય, તો દાટા મારવામાં વાંધો શો તે ? આ તો જે દેખ્યું એમાં ચિત્ત ફસાઈ જાય. આમાં ફસાઈ જાય, તેમાં ફસાઈ જાય. જેટલી નવી વસ્તુઓ દેખે ને, પેલી મીણબત્તી દેખે ને, તે નવી જાતની દેખાય એટલે પછી એમાં ચિત્ત ફસાય. જો પેલી બાજુ કેવી સરસ દીવાદાંડી છે ને ! તો એમાં પાછું ચિત્ત ફસાય. ચિત્ત ફસાયું એટલું ઐશ્વર્ય તૂટી ગયું અને ઐશ્વર્ય તૂટ્યું એટલે જાનવર થયો. ચિત્ત આમાંથી વિખરાયું, કે પછી બેચિત્ત થઈ જાય માણસ. ચિત્ત વિખરાઈ ગયું બધું, મુંબઈ ગયું, આમ ગયું, તેમ ગયું, બધે ભટક ભટક કરે. ચિત્તવૃત્તિઓ ફેલાઈ ગઈ, એટલે બેચિત્ત થઈ જાય. પછી આપણે પૂછીએ કે ‘શું ધંધો કરો છો ?’ ત્યારે કહે, ‘મને સમજણ પડતી નથી.’ હોય ૪૫ વર્ષનો પણ આવું બોલે. કારણ કે ચિત્તની વૃત્તિઓ બધી ફેલાઈ ગયેલી છે, તે બેચિત્ત થઈ ગયો. પ્રશ્નકર્તા : આ ચિત્ત જે બહુ ભમે છે એ મોહ છે ? દાદાશ્રી : હા, મોહ. એ જ મોહ છે. ચેતો એ મોહથી, જે પોતાને છેતરે પ્રશ્નકર્તા : પણ દાદા, (આ બધો મોહ છે છતાં પણ) દરેક ક્ષણ એને દાદાના ચરણોમાં રહેવાની શક્તિ મળ્યા કરે છે. એને ખુલ્લું જાહેર કરીએ કે દાદા, ચિત્ત ફરે છે એને હું જોઉં છું. એને તમારા ચરણોમાં આશરો આપો. એવું નિરંતર પાંચસો વાર બોલાતું હોય. દાદાશ્રી : એ બરોબર છે બધું. આ તમારો પુરુષાર્થ કામ કરશે. જેટલો પુરુષાર્થ કરો એટલું તમારું કામ આવે. પણ હજુ તો બહુ છે. આ તો એવું છે ને, આખા કૂવામાં અડધા કૂવા સુધી પાણી ભરેલું હોય, તે આ પ્યાલે પ્યાલે કાઢીએ ક્યારે પાર આવે ? પ્રશ્નકર્તા : પણ કઢાય છે ખરુંને ? દાદાશ્રી : હા, નીકળે છે ખરું. ઝપાટાબંધ નીકળવા માંડ્યું. પણ એનો અર્થ એવો નહીં કે કૂવો ખાલી થઈ ગયો. નહીં તો નિરાંતે આવીને સૂઈ જાવ તમે તો ! પ્રશ્નકર્તા : ના, ના. દાદાશ્રી : એવો કોઈ મોહ ના હોવો જોઈએ, જે આપણને છેતરે હવે. આ જે નક્કી કરે છે તે નક્કીપણાને છેતરે એવો મોહ હોવો ના જોઈએ અને મોહ થાય તો જ્ઞાની પુરુષની પાસે આવીને એનું પરિચ્છેદન કરી લેવડાવવું જોઈએ. એ પછી એને કંઈ સમજણ પાડે કે આ આવું છે. ઉપર આવું દેખાય છે, (પણ) અંદર આવું છે. વિખરાઈ ચિત્તવૃત્તિઓ વિધ વિધમાં.. મારી ચિત્તવૃત્તિ મારામાં જ રહ્યા કરે છે, તમારી વિખરાઈ ગયેલી છે. તમારી વિખરાઈ ગયેલી નથી ? બસ આટલો જ આમ તાત્ત્વિક દ્રષ્ટિએ ફેર છે, વધારે લાંબો ફેર નથી. જો તમે તમારી ચિત્તવૃત્તિઓ વિખરાવા ના દો, તો ધીમે ધીમે તમે મારા જેવા જ થઈ જાવ. આ તો શામાં શામાં વિખરાવા દીધી ? કંઈક ઊંચું ઘડિયાળ જોયું ને ખરીદવા માટે આજે પૈસા નથી, એટલે મનમાં પેઠું કે પૈસા જ્યારે આવે ત્યારે આ ઘડિયાળ લેવું છે. તે પાછી ચિત્તવૃત્તિઓ ત્યાં એ દુકાનમાં ને દુકાનમાં રહે જ. રાત પડે તોય પાછી ના આવે. એટલે આ ચિત્ત મારું મારામાં છે ને તમારું તમારામાં નથી. એ જો ધીમે ધીમે, અંશે અંશે તમે ફેરવવા માંડો તો વાંધો આવે એમ છે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : વધારેમાં વધારે ચિત્ત ફસાય શેમાં ? વિષયમાં. જેને વિષય ના હોય તેને આ બધું ચલાવી લેવાય તે વખતે. (અને) બીજું કયું ? અનાવશ્યક ચીજો. પેટમાં ખાવા જોઈએ. તે ખાવાનું દાળ-ભાત કે રોટલા, જે જોઈએ તે જોઈએ, બીજું શું જોઈએ ? એટલી આવશ્યક કહેવાય. ખાવા-પીવાનું, લૂગડાં એ આવશ્યક ચીજો કહેવાય ને આ અનાવશ્યક, જેની કંઈ જરૂરિયાત નથી. આ ચિત્ત વિખરાઈ ગયેલું હોય, તે ઘડિયાળના બાલચક્રની પેઠે હલાહલ કરે. અમારું ચિત્ત કશામાં નહીંને ! આ દેહમાંય નહીંને ! ત્યારે (આવી) વાણી નીકળે, ત્યારે બધું નીકળે. જરૂરિયાત બહારનો મોહ શું કામનો ? પ્રશ્નકર્તા : દાદા, અહીં અમેરિકામાં તો બધા મોટા મોટા સ્ટોરોમાં બધું જોવા જાય. એને વિન્ડો શોપિંગ કહે. તો પછી એનાથી આપણો મોહ વધે ? દાદાશ્રી : વધે જ ને, ત્યારે બીજું શું થાય ? શોપિંગમાં પેઠો ત્યાંથી એમાં જ તન્મયાકાર, વસ્તુઓમાં જ. એટલે પછી પોતે આત્મામાં ના હોય. એટલે બધા ભયંકર કર્મો બંધાય. તે શોપિંગ-બોપિંગમાં પેસવું જ ના જોઈએ. વગર કામનું મહીં, જરૂરિયાતની વસ્તુ જ લેવી જોઈએ. જરૂરિયાત બહાર કશું લઈને શું કામ છે તે ? એને મોહ કહ્યો છે, ને તેના કર્મ બંધાય છે, જબરજસ્ત કર્મ. પ્રશ્નકર્તા : એના કર્મ કેવા બંધાય, દાદાજી ? દાદાશ્રી : અરે, જાનવરનાય બંધાય અને (બીજા) બધાય બંધાય. પ્રશ્નકર્તા : આપણાથી નિર્લેપતા રખાય ત્યાં ? આપણે આવું જોવા જઈએ તો આપણે નિર્લેપ રહેવાય એનાથી ? દાદાશ્રી : રહેવાય જ ને ! એની મેળે રહેવાય. તું નથી રહેતો હવે ? પ્રશ્નકર્તા : હા, પણ મને સ્ટોરમાં જવાનું ગમતું નથી. દાદાશ્રી : ના, પણ તોય આ જ્ઞાન આપ્યા પછી તારે રહેવાય છે, નહીં ? પ્રશ્નકર્તા : હા, હા. દાદાશ્રી : તને કશા ઉપર મોહ જ થતો નથીને ? પ્રશ્નકર્તા : હા, હું તો સ્ટોરમાં જાઉં તો અડધીવાર તો એમને એમ જ નીકળું. દાદાશ્રી : ના, પણ કશું ગમતું જ નથીને, દાદા સિવાય તને ? પ્રશ્નકર્તા : ફિક્કું લાગે, ત્યાં સ્ટોરમાં જાઉં તો પછી મને ત્યારે વિચાર થાય કે આ બધું છે તો, બે દિવસનું જ નવું છે, તો શા માટે એ જોવું ? દાદાશ્રી : અને કામનું જ નહીં એ. સ્ટોર તો, વેચનારાને કામનો ને લેનારાને કામનો, આપણે શું લેવાદેવા ? આપણે પેન્સિલની જરૂર હોય તો લઈ આવીએ. જરૂર ના હોય તો નકામું ! અહો ! કેવી દશા આ વીતરાગની ! મને આ લોકો શું કરે છે ? આ નીરુબેનને કહે કે દાદાને આપણે સ્ટોરમાં લઈ જઈએ. કશું કંઈકેય લેવાની (દાદા) ઈચ્છા કરે છે, કહે છે. તે મને સ્ટોરમાં આમ સાયકલ (વ્હીલચેર)માં બેસાડીને મહીં ફેરવે સ્ટોરમાં, પણ મને આ સ્ટોર ખેંચે જ નહીં. મને જરૂર જ નહીં. આ દુનિયામાં કોઈ ચીજ એવી નથી કે મારે જરૂર હોય. કારણ કે જેને લક્ષ્મીની જરૂર નથી, જેને માનની જરૂર નથી, જેને કીર્તિની જરૂર નથી, જેને સોનાની જરૂર નથી, સ્ત્રીનો તો વિચાર જ ના આવે. કારણ કે દેહથી જુદો રહું છું. પછી રહ્યું જ ક્યાં આગળ તે ? એટલે એ સ્ટોર મને શું ખેંચે ? એ તારા મનમાં તો પેલા ભાવ છે ને હજુ, પૂરા કરી લેને બધા. પૂરા કરી લે એટલે મોહ છૂટી જાય એમનો. પ્રશ્નકર્તા : કશું ખેંચે નહીં એવું મન ક્યારે થાય ? દાદાશ્રી : થઈ જાયને, એક ફેરો આપણે જ્ઞાનને જો સમજીએ તો થાય એવું મન. ‘આપણે કોણ છીએ’ એ સમજીએ તો થાય, નહીં તો એ મન આગળ આગળ ભમ્યા જ કરવાનું. જીવવા માટે આવશ્યક શું ? પ્રશ્નકર્તા : દુનિયામાં રહેવા માટે તો દુનિયાનું કરવું જ પડે, નહીં તો આ લોક તો કહે, બાઘા છો. દાદાશ્રી : દુનિયામાં રહેવા માટે ખાવાનું, શ્વાસનું, એ બધું, કપડાં-બપડાં અને આ મકાન, એટલું જ આવશ્યક છે. બીજી આવશ્યક વસ્તુ નથી. સંડાસની આવશ્યકતા બહુ છે. સંડાસ ના હોય તો તમને ખબર પડી જાય. જો સરકાર એમ કાયદો કરી દે કે પંદર દહાડા સુધી કોઈએ સંડાસ ના જવું. તો સરકારને કહેશે, તમે કહો એ વેરો ભરીએ, પણ અમને સંડાસ જવા દો. હવે જેનું મહાત્તમ આટલું બધું છે, તોય લોકોને કિંમત નથી ! મન કા ચલતા ફસાયા મોહમાં પ્રશ્નકર્તા : હવે ફાઈનલી (છેલ્લે) મારે આ મનના કહ્યા પ્રમાણે ચલાય છે, તેમાંથી છૂટવા માટે શું કરવું ? દાદાશ્રી : કરવાનું હોતું હશે ત્યાં ? પ્રશ્નકર્તા : અમુક સ્ટેપ (પગલાં) તો લેવાનાને ? દાદાશ્રી : શાના સ્ટેપ લેવાના ? એ તો સમજવાનું છે. સમજીને ચોકડી મૂકી દેવાની. આપણો અનિશ્ચય છે એની ઉપર ચોકડી મૂકી દેવાની અને નિશ્ચયનો સ્વીકાર કરી લેવાનો. અને તે છતાંય અમે કહીએ કે ભઈ, હજુ મન છે તે સાચી વસ્તુમાં કૂદાકૂદ કરતું હોય તો કર. અમે લેટ ગો (જતું) કરીએ કે ભઈ, એ સાચી વસ્તુ છે. કંઈ આ ગાયનો (ગીતો) સાંભળવા એ કંઈ સાચી વસ્તુ નથી. આ ખાવાનું એ સાચી વસ્તુ છે. તે એને અમે લેટ ગો કરીએ. સૂવાની વસ્તુ સાચી છે, તે એને અમે લેટ ગો કરીએ કે ભઈ, અમુક ચાર કલાક સુધી સઈ જજે કે પાંચ-છ કલાક સૂઈ જજે. આ પતંગ ઉડાડું એની જરૂરિયાત કેટલી ? કેટલાય લોક, જેને જ્ઞાન ના હોય તેય કહે કે આની શી જરૂરિયાત છે ? આ તો વગર કામની, અનાવશ્યક પીડા ! મનના કહ્યા પ્રમાણે ચાલવું એટલે મિકેનિકલ (યંત્રવત) કહેવાય. આ બુદ્ધિજીવીઓ છે તે મનના કહ્યા પ્રમાણે નહીં ચાલવાના, બુદ્ધિના કહ્યા પ્રમાણે ચાલવાના. પણ તેય ખોટું. એ બુદ્ધુ બનાવે છેવટે. આપણે પુરુષ (આત્મા) થયા પછી, પુરુષ અને પ્રકૃતિ બે જુદા પડ્યા પછી, નિશ્ચય ના હોય તો એ કામનું જ શું તે ? અને મન તો ‘રિલેટિવ’માં ગયું, એનો તો સ્વીકાર જ ના હોયને ! આવશ્યક શું ? અનાવશ્યક શું ? જગત આખું અન્નેસેસરી (અનાવશ્યક) પરિગ્રહના સાગરમાં ડૂબી ગયું છે. આ લોકો જરૂર વગરની વસ્તુઓ વધારે છે. ભગવાન કહે છે કે ‘જો તારે મોક્ષે જવું હોય તો ઓછા પરિગ્રહ રાખજે.’ ‘નેસેસરી’ (આવશ્યક)ને ભગવાન પરિગ્રહ કહેતા નથી. માટે દરેકે પોતાની ‘નેસેસિટી’ (જરૂરિયાત) કેટલી છે એ નક્કી કરી લેવું જોઈએ. મનુષ્યમાં આવશ્યક વસ્તુની જરૂર, આવશ્યક જેને કહેવામાં આવે. આવશ્યક એટલે જેના વગર ન ચાલે. અનાવશ્યક કેટલું હશે ? પ્રશ્નકર્તા : ઘણું બધું. દાદાશ્રી : આ બધો ટાઈમ અનાવશ્યક માટે (જાય) છે. આવશ્યક તો ‘ફ્રી ઑફ કૉસ્ટ’ (મફ્ત) હોય છે. આ ટાઈમ જ બધો અનાવશ્યક ખાઈ જાય છે. જેના માટે મેન્ટનન્સ કરવું પડે છે, આમ કંઈ કરવું પડે છે, એ બધું અનાવશ્યક. શું શું આવશ્યક છે ? પ્રશ્નકર્તા : ખાવું-પીવું, કપડાં, દવા, પાણી વિગેરે. દાદાશ્રી : આ દેહને મુખ્ય શેની જરૂર છે ? મુખ્ય તો હવાની. તે તેને ક્ષણે ક્ષણે ફ્રી ઑફ કૉસ્ટ મળ્યા જ કરે છે. હવા-પાણી તો ફ્રી આપે છે કુદરત. આ દુનિયામાં સૌથી મોંઘામાં મોંઘી ચીજ હોય તો હવા. જે પાંચ મિનિટ ના હોય તો માણસ ખલાસ થઈ જાય અને એ ‘ફ્રી ઑફ કૉસ્ટ’ કુદરતે આપ્યું છે. અને એ તો બધે, ‘એની પ્લેસ’ (ગમે તે જગ્યાએ), ગમે ત્યાં જાવ તો મળે એ. કુદરતે કેટલી સેફસાઈડ (સલામતી) કરી આપી છે ! તું સંડાસમાં જઉં, ગમે ત્યાં જઉં તોય એ મળે અને બીજું પાણી, તેય ‘ફ્રી ઑફ કૉસ્ટ’ આપ્યું છે. પાણી માટે બહુ ત્યારે અમુક જગ્યાએ જોઈએ ને પાછું વગર મહેનતે જ જોઈએ, એવું હોય તો પૈસા આપજે. તો તને ત્યાં પાણી મળશે. પછી જરૂરિયાત ખાવાની છે. ‘ફૂડ’ (અન્ન) પણ સસ્તું. ના ખઈએ તો શું થાય ? મનુષ્યપણું નકામું જાય. એટલે એવું કંઈ નહીં કે અત્યારે તું વેઢમી (પૂરણપૂરી)ને એવું તેવું બધું ખા. જે કંઈ ખીચડી કે દાળ-ભાત હોય પણ આવશ્યક, એના પૂરતું આપણે પરવશ રહેવાનું હતું. શેના પૂરતું ? આવશ્યક. ભૂખ લાગે છે એટલે શું કે ફાયર (અગ્િન) થયો, માટે એને હોલવો. આ ‘ફાયર’ને હોલવવા માટે શું જોઈએ ? ત્યારે આ લોકો કહે કે ‘શ્રીખંડ, બાસુંદી !’ ના અલ્યા, જે હોય તે નાખી દેને મહીં. ખીચડી-કઢી નાખી હોય તોય એ હોલવાય. હવે ખાધું એટલે કંઈ ખાધું એકલું ચાલે ? પાછું એનું પરિણામ આવે. રિઝલ્ટ તો આવે કે ના આવે, જે કરો તેનું ? શું પરિણામ આવે ખાધેલાનું ? પ્રશ્નકર્તા : સંડાસ જવું પડે. દાદાશ્રી : પછી પાણી પીધું તો ? બાથરૂમમાં દોડધામ કરવી પડે. શ્વાસ લીધો, તે ઉચ્છવાસ થાય. પણ આની જરૂરિયાત છે. શ્વાસ ના લઈએ તોય નુકસાન, પાણી ના લે તોય નુકસાન. આ બધી આવશ્યક ચીજો. લોકો ‘ગોળ મળતો નથી, ખાંડ મળતી નથી’ એમ બૂમો પાડે છે. ખાવાની ચીજો માટે કંઈ બૂમો પાડવી ? ખાવાની ચીજોને તો તુચ્છ ગણી છે. ખાવાનું તો પેટ છે તે મળી રહે છે. દાંત છે તેટલા કોળિયા મળી રહે છે. દાંતેય કેવા છે ! ચીરવાના, ફાડવાના, ચાવવાના જુદા જુદા. આ આંખો કેવી સારી છે ? કરોડ રૂપિયા આપે તોય આવી આંખ મળે ? ના મળે. પછી સેકન્ડરી સ્ટેજની જરૂરિયાતમાં પહેરવાનું, કપડું એ પણ આવશ્યક છે. શિયાળાને દહાડે શું થાય ? કારણ કે આ બધી સીઝન (ઋતુ)ને આધીન માણસ, એ માણસને પોતાની પ્રકૃતિને આધીન બધી સીઝન ના થાય. કોઈ માણસ શિયાળાને દહાડે ગરમ કપડાં વગર રહી શકે છે, ત્યારે ઉનાળામાં તેનાથી રહેવાય નહીં. એવું હોય છે ને ? એટલે કંઈ પણ કપડું જોઈએ. પણ કપડું કેવું હોય ? ખાદીનું હોય, બીજું હોય, ગમે તેવું હોય, ઓછા ભાવનું અને આપણે કપડું શરીર ઢાંકે એટલું જોઈએ. કપડાં બે જોઈએ, તેમાં કેટલા તોફાન કાઢ્યા ! ચોથું આવશ્યક છે, સૂઈ રહેવાનું. જરાક ઠંડક જોઈએ. નાનું છાપરું જોઈએ, ઘાસનું કે ગમે ત્યાં. અને એકાદ પાથરવાની જરાક ચટ્ટાઈ અને એકાદ ઓઢવાનું જોઈએ. બસ, આટલું જ. બીજું શું જોઈએ ? અંતરસુખ ઘટાડે અન્નેસેસરી મોહ એટલે આવશ્યક પૂરતું જો સમજે તો કોઈ જ જાતનું માણસને દુઃખ નથી. આ જાનવરોને દુઃખ નથી, તો પછી માણસને દુઃખ હોતું હશે ? આ તો અનાવશ્યક વધાર વધાર કરે. સ્લેબ (ધાબું) કર્યો તે કર્યો પણ મેંગ્લોરી નળિયા ઢાંક્યા ઉપરથી. બધું વધારે છે કે નથી વધારતા ? તમે થોડું ઘણું વધારેલું ? પછી બૂમો પાડે, ‘યા ખુદા પરવરદિગાર ! ફસાયા !’ અરે મૂઆ, તેં વધાર્યું છે ને, તો પછી એમાં ખુદા શું કરે તે ? આપણે અનાવશ્યક વધારીએ એમાં ખુદા શું કરે બિચારા ? તમને કેમ લાગે છે ? બોલતા નથી ? આપણે અનાવશ્યક જરૂરિયાતો વધારીએ અને ખુદાને પછી નામ દઈએ કે હે ખુદા, હું ફસાયો ! આ સંસારના સાધનો જ બંધન થઈ પડ્યા છે, તેમ છતાં કેટલાક સાધનો એવા હોય છે કે આવશ્યક છે. એ સાધનને હલાવવાના નથી. કારણ કે એ આવશ્યક હોવા જ ઘટે. પણ એનું પ્રમાણ આપણે જાણવું જોઈએ. એક દહાડો જો નળમાં ખાંડ નાખેલું પાણી આવે તો લોક કંટાળી જાય. અલ્યા, કંટાળી ગયો ? ત્યારે કહે, હા, અમારે તો સાદું જ પાણી જોઈએ. આવું જો થાયને તો એને સાચાની કિંમત સમજાય. આ લોક તો ફેન્ટા ને કોકાકોલા (ઠંડાપીણા) ખોળે છે. અલ્યા, તારે શેની જરૂરિયાત છે એ જાણી લે ને ! ચોખ્ખી હવા, ચોખ્ખું પાણી ને રાત્રે ખીચડી મળી ગઈ તો આ દેહ બૂમ પાડે ? ના પાડે. એટલે જરૂરિયાત શું છે એટલું નક્કી કરી લો. ત્યારે આ લોક અમુક જ પ્રકારનો આઈસ્ક્રીમ ખોળશે ! કબીર સાહેબ શું કહે છે ? ‘તેરા વેરી કોઈ નહીં, તેરા વેરી ફેલ.’ ‘અન્નેસેસરી’ માટે ખોટી દોડાદોડ કરે છે એ જ ‘ફેલ’ કહેવાય. તું હિન્દુસ્તાનમાં રહે છે ને નહાવા માટે પાણી માંગે તો અમે તેને ‘ફેલ’ ના કહીએ. ‘અપને ફેલ મિટા દે, ફિર ગલી ગલી મેં ફિર.’ આ દેહની જરૂરિયાત કેટલી ? ચોખ્ખું ઘી-દૂધ જોઈએ ત્યારે એ ચોખ્ખું નથી આપતા ને પેટમાં કચરો નાખે છે. એ ફેલ શું કામના ? આ માથામાં શું નાખે છે, બળ્યું ? શેમ્પુ; સાબુ જેવું ના દેખાય ને પાણી જેવું દેખાય એવું માથામાં ઘાલશે. આ અક્કલના ઈસ્કોતરાઓએ એવી શોધખોળ કરી કે જે ફેલ (નાપાસ) નહોતા થતા એય ફેલ થઈ ગયા ! આનાથી અંતરસુખ ઘટી ગયું. ભગવાને શું કહ્યું હતું કે ‘બાહ્યસુખ અને અંતરસુખની વચ્ચે પાંચ-દસ ટકાનો ફેર હશે તો ચાલશે’, પણ આ નેવું ટકાનો ફેર હોય તો તે ના ચાલે. આવડો મોટો ફેર થયા પછી એ ફેલ (નાપાસ) થાય ? મરવું પડે ? પણ એમ નથી મરાતું ને સહન કરવું પડે. આ તો નર્યા ફેલ (અનાવશ્યક) જ છે, ‘અન્નેસેસરી’ જરૂરિયાત ઊભી કરી છે. એક કલાક બજાર બંધ થઈ ગયું હોય તો લોકોને ચિંતા થઈ જાય ! અલ્યા, તારે શું જોઈએ છે તે તને ચિંતા થાય છે ? તો કહે કે મારે જરા આઈસ્ક્રીમ જોઈએ છે, સિગરેટ જોઈએ છે. આ તો ફેલ જ વધાર્યોને ? આ અંદર સુખ નથી, તેથી લોક બહાર ડાફોળિયા મારે છે. મહીં અંતરસુખની જે સિલક હતી તેય આજે જતી રહી છે. અંતરસુખનું બેલેન્સ (સિલક) ના તોડશો. આ તો જેમ ફાવે તેમ સિલક વાપરી નાખી, તો પછી અંતરસુખનું બેલેન્સ જ શી રીતે રહે ? ઉતારી નાખો ભાવ અનાવશ્યક પરથી એટલે આ સંસારમાં આવશ્યક ચીજ કઈ ને અનાવશ્યક કઈ, તે નક્કી કરી લેવું. આવશ્યક એટલે અવશ્ય જરૂર પડે જ અને અનાવશ્યક તો માથે લીધેલું, મોહને લઈને. હવે અનાવશ્યક ઓછા થાય એવાય નથી. કોઈ કહેશે, મારે ઓછાય કરવા છે પણ થતા નથી. છોકરાંની વહુ બૂમાબૂમ કરે છે, ઘરમાં બૈરી કચકચ કર્યા કરે છે. પણ મનમાં એટલો ભાવ હોય કે મારે ઓછા કરવા છે. એટલો ભાવ થાય તોય બહુ થઈ ગયું. એવું છે ને, આપણે જિંદગીમાં આવશ્યક અને અનાવશ્યક બેનું લિસ્ટ બનાવવું જોઈએ. આપણા ઘરમાં દરેક ચીજો જોઈ લેવી અને આવશ્યક કેટલી અને અનાવશ્યક કેટલી. અનાવશ્યક ઉપરથી ભાવ ઉતારી નાખવો અને આવશ્યક જોડે તો ભાવ રાખવો જ પડે, છૂટકો જ નથીને ! જેટલું વધારે અનાવશ્યક એટલી વધારે ઉપાધિ. આવશ્યકેય ઉપાધિ છે છતાંય ઉપાધિ ગણાય નહીં, જરૂરિયાત છે એટલે. પણ અનાવશ્યક એ બધી ઉપાધિ. આવશ્યકનો નિયમ શું ? એક જમીનદાર મારી પાસે આવ્યો. તે મને પૂછવા લાગ્યો કે ‘જીવન જીવવા માટે કેટલું જોઈએ ? મારે ઘેર હજાર વીઘા જમીન છે, બંગલો છે, બે મોટરો છે ને બેંક બેલેન્સ પણ ખાસ્સું છે, તો મારે કેટલું રાખવું ?’ મેં કહ્યું, ‘જો ભાઈ, દરેકની જરૂરિયાત કેટલી હોવી જોઈએ તેનો ખ્યાલ તેના જન્મ વખતે કેટલી જાહોજલાલી હતી, તેના ઉપરથી આખી જિંદગી માટેનું ધોરણ તું નક્કી કર. તે જ દરઅસલ નિયમ છે.’ આ તો બધું એક્સેસ (વધારા)માં જાય છે અને એક્સેસ એ તો ઝેર છે, મરી જઈશ. કુદરતનો નિયમ એવો છે કે દરેકને એની જરૂરિયાત પ્રમાણે સુખ મળી જ આવે છે. દરેકનું ‘ટેન્ડર’ ભરેલું પૂરું થાય જ. જે જે જરૂરિયાત હોય તે બધી (ચીજો) ત્યાં ઘેર બેઠાં હાજર થાય. પ્રશ્નકર્તા : અત્યારે આ સંજોગોમાં છીએ અને આ બધી આવશ્યક કરતાંય ઘણી બધી વધારે ચીજો છે. ત્યાંથી આવશ્યક સ્થિતિ સુધી પહોંચવાનો સાંધો કયો ? રસ્તો કયો ? દાદાશ્રી : આ ઓછું થાય તેમ તેમ. જેટલું વધારીએ તો મોડું થશે. ઓછું કરીએ તો વહેલું થશે. પ્રશ્નકર્તા : ઓછું કરવા માટે શું કરવાનું ? દાદાશ્રી : તારે નથી પૈણવું તો ઓછું નહીં થાય ? અને પૈણવું હોય તેને ? પ્રશ્નકર્તા : વધી જાય. દાદાશ્રી : હા, તો બસ. કંઈ નિશ્ચય તો હોયને ? બધું યોજનાપૂર્વક હોય કે એમને એમ ગપ્પું હોય ? મોક્ષે જવું છે તો યોજનાપૂર્વક હોયને ? અનાવશ્યક સામે જરૂર અંદરની જાગૃતિની પ્રશ્નકર્તા : આ બહારની વસ્તુઓ ઓછી થવા માટે અંદરની જાગૃતિ કેવી હોવી જોઈએ ? દાદાશ્રી : અંદરની જાગૃતિ એવી હોવી જોઈએ કે એ વસ્તુઓ એને દુઃખદાયી લાગ્યા કરે. પ્રશ્નકર્તા : હવે તો આપે દેખાડ્યું કે આવશ્યક સિવાયની બધી વસ્તુઓ જેટલી પાડી (છોડી) દેવાય એટલી પાડી નાખવી જોઈએ, એવું જ થયુંને ? દાદાશ્રી : હં, આ બધી ન હોવી જોઈએ. વળગી પડી હોય તો ધીમે ધીમે કેમ કરીને છોડી દેવી, એની પેરવીમાં રહેવું. પ્રશ્નકર્તા : એટલે એ છોડી દેવાનું શેમાં રહે ? આ વસ્તુઓ ના હોવી જોઈએ કહ્યુંને ? દાદાશ્રી : છોડી દેવું, શબ્દો નહીં જોખવાના આમાં. આ તો અંદર આપણે સમજી જવાનું કે આનાથી ક્યારે છૂટાય ? પોતાને અહિતકારી લાગે તો તરત છોડી દે. જુઓને, પૈણવાની વખતે ના પાડી દે છે, ચોખ્ખીચટ્ટ. પ્રશ્નકર્તા : આ પોતાને અહિતકારી વસ્તુ લાગે એવું બધી બાબતમાં પકડાવું જોઈએને ! દાદાશ્રી : બધું લાગે ત્યારે દહાડો વળેને ! બીજામાં ઈન્ટરેસ્ટ (રસ) છે હજુ તો. તમને પૈણવામાં ઈન્ટરેસ્ટ નથી તો ચોખ્ખું કહી દો છો, ન્હોય મારું. બહારના સંજોગો આવે તોય ફેંકી દો છો, એવું બધું હોવું જોઈએ ને ? પરિગ્રહ-અપરિગ્રહ માત્ર ડિસ્ચાર્જ આ વાત સમજવાની છે. આપણો વ્યવહાર રહ્યો ટૂંકો. હવે પેલું તો આખા જગત જોડે વ્યવહાર રાખે. કારણ કે એણે હજુ લિમિટ બાંધી નથી ત્યાં સુધી શું થાય ? તેથી જૈન શાસ્ત્રો લિમિટ બાંધી આપે છે કે ભઈ, તને જ્ઞાન ના હોય પણ લિમિટ તો બાંધજે કે આટલી હદની બહાર મારે નીકળવું નથી. એટલે એટલામાંથી જ તારો હિસાબ બંધાશે. નહીં તો આ તો એ આખી દુનિયા જોડે ફેલાવો જ રહ્યા કરે અને આપણી તો આ લિમિટ આવી ગઈ. ડિસ્ચાર્જની લિમિટ આવી ગઈ કે આટલા જ. પ્રશ્નકર્તા : બસ, આ પૂર્વના જે બાકી છે એ. દાદાશ્રી : હં, એ પરમાણુનો નિકાલ કરવાનો છે. પ્રશ્નકર્તા : તો આ પરિગ્રહને સંકોચવો એ લિમિટ કે પરિગ્રહની મર્યાદા બાંધવી ? દાદાશ્રી : બધુંય ડિસ્ચાર્જ છે. પરિગ્રહ વધારવો તેય ડિસ્ચાર્જ અને પરિગ્રહની મર્યાદા કરવી તેય ડિસ્ચાર્જ અને અપરિગ્રહી રહેવું તેય ડિસ્ચાર્જ. કારણ કે અપરિગ્રહી રહેવાનો જે ભાવ કર્યો હતો, તેથી અપરિગ્રહી આવ્યું. પણ એય ડિસ્ચાર્જ છે, એય છોડી દેવું પડશે. એય ત્યાં મોક્ષે ના આવે કંઈ જોડે. એ તો જે સ્ટેશને એ હેલ્પ કરતું હોય, તે સ્ટેશને હેલ્પ કરે. આ સ્ટેશને હેલ્પ કશું કરે નહીં. આ સ્ટેશને તો તારે એનો ઉકેલ લાવવાનો છે. એને સૉલ્વ કરી નાખવાના છે બધાને. સગવડો બનાવે શાતાશીલિયા હવે આપણે તો ઉપાધિ ઓછી કરવી, જેમ બને તેમ. આ આપણી પાંચ આજ્ઞા છે ને, તે ઉપાધિ જ રાખે એવી નથી. એમાં કશું ઉપાધિવાળું છે જ નહીં. આ તો પંખાનો મારી જાત ઉપર અનુભવ લીધેલો છે કે મારે શું થાય છે કે પહેલા પંખો રાખતો નહીં. છપ્પન (1956) સુધી તિતિક્ષા નામનો ગુણ કેળવેલો. એક શેતરંજી ઉપર સૂઈ રહેતો હતો કાયમ અને પંખો રાખતો નહીં. તે બધા મિત્રમંડળવાળા આવે તે કહે કે તમે પંખો ના રાખો, કારણ કે તમે તો તપસ્વી પુરુષ છો, પણ અમારું શું થાય ? ત્યારે મેં કહ્યું, ગોઠવો. એ ગોઠવવાથી પછી આ શાતાશીલિયું થયું શરીર. એક ખેડૂત માણસ રોજ જોડા પહેરે, તો પછી જોડા ના હોય તે ઘડીએ દઝાય એ માણસ. નહીં તો શરીર દઝાય નહીં એવું થઈ જાય. એટલે હવે શાતાશીલિયા થયા તો પરવશ થવું પડે. જ્યારે પંખો ના હોય તો પરવશ થવું પડે અને મારે ઉપયોગ બહાર રાખવો એ મુશ્કેલી પડે. આ થયું શું, તે મારી વાત હું કરું છું. એટલે આ વાતને તમે સમજજો. પંખો બંધ કરશો નહીં, પણ આ પંખો એ હિતકારી નથી એવું માનજો. એટલે આપણા મહાત્માઓને એ અનુભવ હિતકારી નથી. બહારના લોકોને તો આપણાથી કહેવાય નહીં. બહારના લોકો બાહ્ય સુખ ખોળે છે અને તમે આંતરિક સુખ ખોળો છો, સનાતન સુખ ખોળો છો. એટલે આ તો મારા અનુભવની વાત કરી. પ્રશ્નકર્તા : પંખો એકલો કેમ, ઘણી વસ્તુઓ હિતકારી નથી. દાદાશ્રી : બીજી વસ્તુઓ જોવાની નથી, આ પંખો એકલો વધારે છે તે. બીજી વસ્તુમાં તો તમને ડિરેક્ટ (સીધો) સ્પર્શ નથી કરતો. આ એકલું ડિરેક્ટ સ્પર્શ કરે છે, બીજાનો વાંધો નહીં. બીજું તો ઘરના માણસો ફ્રીઝ લાવે, તેમાં આપણને શું નુકસાન ? એ કહેશે, આ બરફનું પાણી પીઓ, તો એ આપણને ના પીવું હોય તો ના કહી દઈએ. ઘરના માણસો રેડિયો, ફોન વાપરતા હોય, તેમાં આપણે શું લેવાદેવા ? કકળાટ થાય તો એમને થાય, આપણે શું લેવાદેવા ? આ પંખો એકલું પોતાને સ્પર્શ કરે એવી વસ્તુ છે. જેને કંઈ બાહ્ય ઉપાધિની જરૂર હોતી નથી અને છતાં કરે તોય આપણે વાંધોય નથી. આપણો માર્ગ કેવો છે કે વાંધા વગરનો માર્ગ છે. એ તો જ્યાં માને છે ત્યાં જ છે અને એ કહેશે, અમારાથી પવન વગર રહેવાતું નથી. આપણે કહીએ, બરોબર, એમ જ હોય. બને તો પંખો લાવજો, એમ કહીએ આપણે. જેને જે ખપે, તેને તે વસ્તુની જ જરૂરિયાત છે. પ્રશ્નકર્તા : શાતાશીલિયા નહીં થવાનું, એવું કહ્યું આપે ? દાદાશ્રી : બહારની સગવડોને લઈને શાતાશીલિયા થઈ જાય છે માણસ. પછી સગવડ નથી હોતી ત્યારે ઉપાધિ કરે છે. આ શરીરને તો જેવું તમે રાખોને તેવું રહેવા તૈયાર થઈ જાય. નેસેસિટી (જરૂરિયાત) નથી, આ તો જાણીને ટેવ પાડી આપણે. ઊંધી ટેવ પાડી પંખાની. તે ઊલટો હું ટાઢો થઈ ગયો, ત્યાર પછી ! આ તે કંઈ રીત છે ? અને અમદાવાદ જઈએ છીએ, ત્યારે એરકંડિશન કરે. કહેશે, ‘દાદાજી, મારે ત્યાં ઉતરવાના છે.’ એ લોકો એરકંડિશન કરી નાખે. એને ખબર નથી કે એરકંડિશનની મારે જરૂર નથી. મારે તો એવું એરકંડિશન જોઈએ છે કે તારે ઘેર એરકંડિશન હોય પણ પાછું સત્સંગમાં જતી વખતે ત્યાં સુધી એરકંડિશન હોયને, એવું જોઈએ છે. ત્યારે એ તો બહાર નીકળ્યા એટલે પાછું ધખધખતું... ! આપણે ઠંડામાંથી બહાર નીકળીએ તો શું થાય બહાર ? ધખધખતું અંગારા જેવું લાગે. તે આ શું ? તેથી ભગવાને કહેલું કે શાતાશીલિયા ના થશો. આને શાતાશીલિયા કહેવાય. હવે અંદરનું સુખ મળ્યા પછી... કંઈક તો આ શરીરને કેળવવું જોઈએ ને ! પ્રશ્નકર્તા : પણ દાદા, આ શરીર બાહ્યસુખ ખોળે છે ને ? દાદાશ્રી : પણ સુખ આપણે ખોળવાનું ના હોય. આપણને અંદરનું સુખ મળ્યું છે. ના મળ્યું હોય તે તો બહારનું ખોળે. અંદરનું મળ્યું હોય, તેને આ બહારનું ના હોય તો ચાલે કે ના ચાલે ? અંદરનું ના મળ્યું હોય, તેને અમારું કહેવાનું નથી. (અંદરનું) ના મળ્યું તે શું કરે ? પણ એ અહીં તો ફાંફાં મારતો જ હોય બહાર. આમ કેટલાક તો રાહ જુએ, ‘એ પવન આવ્યો હંઅ, એ આવ્યો, આ આવ્યો, આ આવ્યો.’ જો જતો ના રહેવાનો હોય તો ભોગવી લે, પણ ‘એ ગયો’ કહેશે. મોક્ષે જનારાને પરવશપણું કેમ પોષાય ? આ જાતનું પરવશપણું માણસમાં રહે. જો આ ભગવાને બાવીસ પ્રકારના પરિષહ સહન કરવાના કહ્યા છે. લખ્યું છે કે નથી લખ્યું ? પ્રશ્નકર્તા : હા, પરિષહ વેઠવાનું કીધું છે. દાદાશ્રી : હા, તે તો હું તમને કહેતો જ નથી. એ કહું તો તમે બધાય ગભરાઈ જાવ, એના કરતા ના કહું એ સારું છે. ફક્ત તમારે તો આટલું જ, આવું જરાક હોય તો તમારો ઉપયોગ અંદર રહેશે. નહીં તો ઉપયોગ પછી બહારનો બહાર જ ભમ્યા કરશે. જરાક બફારો થયો એટલે ઉપયોગ બહારનો બહાર રહ્યા કરે. છતાં પંખો એની મેળે ચાલતો જ હોયને, એને બંધ ના કરશો. હોય તો સમભાવે નિકાલ કરી નાખજો, પણ આમાં સુખ છે એવું માનશો નહીં. એમાં સુખ છે એવું માન્યું એટલે પેલામાં દુઃખ છે એવું માન્યું. એટલે ઉપયોગ બીજી જગ્યાએ ફર્યા કરે. એરકંડિશનમાંથી બહાર નીકળેલા માણસની શું સ્થિતિ હશે, એ કહો. આ તો કોણે પંખા-બંખાની શોધખોળ કરેલી ? આ તો ફોરેનવાળા. એમને માટેની શોધખોળો, શી રીતે એ આપણે ત્યાં પેસી ગઈ ? નહીં તો આપણે ત્યાં તો રાજાને ત્યાં પંખા હોય. બીજે બધે તો અમથા સાધારણ પંખા હોય, તેય શેઠિયો હોય તો. નહીં તો કામ કરતો હોય આખો દહાડો, તો શેનો પંખો જોઈએ ? અને કુદરત તો બધી રીતે તમને હેલ્પ (મદદ) કરી રહી જ છે. જ્યારે પવનની જરૂર હોય તો ધીમો પવનેય આવે છે, બીજી બધી હેલ્પ કરે અને પસીનો જેટલો નીકળવો જોઈએ એટલો નીકળવા દે. પછી અકુદરતી જીવન જીવીએ, તેનો શો અર્થ છે ? આ કંઈ આપણે ધર્મના અંગેની વાતચીત નથી આ, આ તો એક જાણવા ખાતર. પંખો હોય એને પા-અડધો કલાક બંધ કરી અને ઉપયોગમાં રહી જુઓ જોઈએ, તો તમને પંખાની જરૂર ના પડે. ઉપયોગમાં રહેતો હોય, તેને પંખાની જરૂર જ ના પડે. આ પંખાની જરૂર, બાહ્ય જ્યાં સુધી હોયને ત્યાં સુધી. અને તેમ છતાંય આપણે ના નથી કહેતા. એને ભલે તારું બાહ્ય હોયને તોય તું બાહ્યમાં, ‘હું આત્મા છું’ એવું ભાન રહેશે તો બહુ થઈ ગયું. તોય વાંધો નથી, પણ થોડું આગળ વધવામાં વાંધો શો ? વાંધો ખરો ? મોહ એટલે આફતોનું સંગ્રહસ્થાન પ્રશ્નકર્તા : ઘરની અંદર જે કંઈ વસ્તુઓ હોય છે, એ જ્યારે ખોટકાઈ જાય છે, ત્યારે આખો જીવ એમાં જતો રહે. મારી વાત કરું કે સિત્તેર વર્ષ સુધી ફ્રીઝની ખબરેય ન હતી. પછી ફ્રીઝ આવ્યું, તે એક દહાડો બગડ્યું એટલે આખું ઘર ઊંચું-નીચું કરી નાખ્યું. દાદાશ્રી : હા, એ એવું જ હોય. આ બધી આફત છે. ઉપાધિ વસ્તુ જુદી છે ને આફત વસ્તુ જુદી છે. ઉપાધિ તો વળગેલી હોય અને આફત તો વળગાડેલી હોય. તમને થાય એ સ્વાભાવિક છે. આ બધી આફતો છે. જ્ઞાન ન હતું અને હીરાબા કહે, ‘પેલો નળ બગડ્યો છે’ તે એ ઉપાધિ મારે. પછી (માણસને) બોલાવા જવાનું, તેડી લાવવાનું, આ બધી ઉપાધિ. એ જરૂરિયાતની વસ્તુ હોયને ? પણ આ તો બિનજરૂરિયાત આફતો. ટી.વી. લાવે ને ફલાણું લાવે ને બીજું કંઈ ઓછું લાવે છે લોકો ? આંખો જાય (બગાડે) અને પાછું આફત. પ્રશ્નકર્તા : આ ટી.વી. ખરે ટાઈમે બગડી ગયું, એટલે આજુબાજુવાળા બધાય ‘ટી.વી. નથી ચાલતું ? ટી.વી. નથી ચાલતું ?’ તો આત્મા-બાત્મા બધું એમાં. દાદાશ્રી : હા, બધું એમાં. હવે છતાંય આપણાથી એને તિરસ્કાર તો હોવો જ ના જોઈએ ને ? કારણ કે એ બીજાને ફાવતું હોય, એ ગમે તે કરે. આપણા ઘરનો છોકરો જ ગમે તે કરતો હોય, આપણાથી ના કહેવાય ? ના કહેશો તો તમને દ્વેષ થશે. ના નડે કશું ઉપયોગવાળાને અને જ્યારે ઉપયોગમાં હોય ત્યારે કશું રહેતું નથી. ઉપયોગમાં હોઈએને ત્યારે ખ્યાલેય ના રહે કે આ ગરમી છે કે ઠંડી છે, એવું કશુંય નહીં. હમણે છોકરો પરીક્ષામાં પેપર લખતો હોયને અને પંખા બંધ થઈ ગયા હોય, તો એને ખબરેય ના હોય. વકીલોનું જે કામકાજ ચાલતું હોય અને જજ બરોબર સાંભળતા હોય, તે ઘડીએ પંખા બંધ થઈ ગયા ને તે ખબરેય ના પડે. આ તો નવરો પડ્યો કે ખબર પડી. એને બાહ્ય ઉપયોગ કહે છે. ભટક ભટક ભટક કર્યા કરે. છતાંય હું તો કહું કે કશો વાંધો નહીં. આટલુંય પણ કંઈક કરજો. પાંચ આજ્ઞામાં રહે છે ને ? પંખા ફેરવજો પણ પાંચ આજ્ઞામાં રહેજો. પણ આ જાણી રાખજો કે આ વસ્તુ ભૂલવાળી છે. હુંય કંઈ નથી ફેરવતો એવું નથી, હુંયે ફેરવું આ. હવે એમાંથી થોડી થોડી બાદ કરતા કરતા પછી મૂળ જગ્યાએ અવાય. હવે આ બૂટ પહેરીને ફરીએ અને પછી એક દિવસે કોઈ ફેરો બૂટ રસ્તામાં કો’ક બહારવટિયાએ લઈ લીધા અને પછી એ તડકામાં ફરવાનું થાય. પેલા રોડ, રેતી ઉપર તે શી દશા થાય ? હવે ખેડૂતોના જે પગ છે ને, તે ફિટ (વાતાવરણને અનુરૂપ) જ થઈ જાય છે. એને તો કશું થાયેય નહીં ને જરૂર નહીં. કુદરતનો નિયમ છે કે જેને જેટલું જે જોઈએને, તે ફિટ જ થઈ જાય. તો પછી આપણે એ નિયમનો કેમ લાભ ન ઉઠાવવો ? કુદરતનો નિયમ જ છે એવો. કારણ કે તમે સ્વતંત્ર છો. કુદરત તમારે આધીન છે. તમે કુદરતના રાઈટ (અધિકાર) બગાડો છો. એટલે વાતો જ સમજવાની છે કે આ રસ્તે આવું છે ને આ રસ્તે આવું છે. પછી નક્કી કરવાનું છે કે કયે રસ્તે જવું. ના સમજાય તો ‘દાદા’ને પૂછવું, તે ‘દાદા’ તમને બતાવશે કે આ ત્રણ રસ્તા જોખમવાળા છે ને આ રસ્તો બિનજોખમી છે, તે રસ્તે અમારા આશીર્વાદ લઈને ચાલવાનું છે. નિશ્ચયના ટેકાથી ચઢાય ઉપર પ્રશ્નકર્તા : આ ચિત્તવૃત્તિ જે વેરાય છે, તેનું મૂળ બેઝમેન્ટ (પાયામાં) શું ? શાથી વેરાય છે ? દાદાશ્રી : નિશ્ચય બધો નક્કી કર્યા સિવાયનો અને લોકોના કહેવાથી પોતે દોરાય તેથી. લોકોએ જેમાં સુખ માન્યું તેમાં પોતે માને કે બંગલા વગર તો સુખ પડે નહીં. અલ્યા, સારું ખાવાનું ના હોય તો સુખ ના પડે, બંગલાને શું કરવો છે તે ? રોજ લાડવા ખાવા મળતા હોય તો બંગલાની જરૂર ખરી ? પ્રશ્નકર્તા : તો લોકસંજ્ઞા ચિત્તવૃત્તિ વિખેરવામાં હેલ્પ (મદદ) કરે છે ? દાદાશ્રી : લોકસંજ્ઞાથી જ ! આ ધોબીને પૈસા આપી દઈએ, એ રીત છે ? આપણા ઘૈડિયાએ ધોબીને પૈસો આપ્યો હતો ? એટલે આ ચિત્તવૃત્તિ બધી વિખરાઈ ગઈ છે. બીજાની જરૂર જ શું પડે આપણને આખો દહાડો ? બે લાડવા (રોટલી) ને થોડુંક શાક મળ્યું હોય તો બીજા કોઈની જરૂર પડે ? બૂમ પાડવી પડે તમારે કે ફલાણા કાકા અહીં આવો, ફલાણી કાકી અહીં આવો. જેટલી ચિત્તવૃત્તિ વિખરાઈ ગયેલી છે, તેનું ફળ આપણે ભોગવવું પડે. પણ આપણે નક્કી કર્યું છે એટલે હવે વિખરાયેલું છે તે એક થવાનું છે. આપણી ‘બિલીફ’ આ બાજુ એક થવા માંડી છે. બસ રાત-દહાડો ‘બિલીફ’ ક્યાં છે, એ જોયા કરવું ને એ ‘બિલીફ’ને ટેકા આપ આપ કરવા અને એ ‘બિલીફ’ને વિટામિન આપ આપ કરવું. વિખરાઈ ચિત્તવૃતિ, વેરવાની ઈચ્છાથી પ્રશ્નકર્તા : હવે આ ચિત્તવૃત્તિ છે એ ઠામ ઠામ (ઠેકઠેકાણે) વેરી છે કે વિખરાઈ ગઈ છે ? દાદાશ્રી : વિખરાઈ ગઈ છે. પ્રશ્નકર્તા : પણ એ તો એની મેળે જ વિખરાઈ જાય છે ને ? દાદાશ્રી : વેરવાની ઈચ્છા તેથી વિખરાઈને ! આપણી ઈચ્છા હતી વેરવાની એટલે વિખરાઈ ગયું. પ્રશ્નકર્તા : એટલે મૂળ તો વેરવાની જ ઈચ્છાને ? દાદાશ્રી : હા, ઈચ્છા તેથી, નહીં તો ના વેરાય. આ તો ઈચ્છા છે એટલે પછી ત્યાં જમીનમાં ચિત્ત ગયું. જમીનમાં ગયું એટલે ત્યાં કોર્ટમાં ગયું, ફલાણામાં ગયું, ખેડૂતમાં ગયું, બળદમાં ગયું, કપાસમાં ગયું, એટલે વિખરાય પછી. હવે ત્યાં પછી આવશ્યક અને અનાવશ્યક નક્કી કરે, ત્યાર પછી ગાડું હેંડે. જ્યાં જ્યાં ચિત્તવૃત્તિ ફેલાઈ, જ્યાં જ્યાં ચિત્તવૃત્તિ વિખરાઈ ત્યાં આગળ આત્મા વિખરાઈ ગયો. એ ચિત્તવૃત્તિઓ બધી એક જગ્યાએ (પોતાના સ્વરૂપમાં) આવી જાય એટલે પરમાત્મા થાય. જેમ મોહ વધુ તેમ બળતરા વધારે આ કાળની વિચિત્રતા તે કર્મોના પુષ્કળ બોજા, પાર વગરના બોજા હોય ! ખીચોખીચ કર્મો ભરેલા છે અને નર્યો મોહ વધારે છે. બહુ મોહ એટલે બળતરાય વધારે, પુષ્કળ બળતરાને ! પ્રશ્નકર્તા : એક બાજુ જેટલો મોહ, એટલી જ બળતરાને ? દાદાશ્રી : એટલી જ બળતરા, જે જમવાથી ધરાયા નહીં, જે શોખ કરવાથી શોખ બંધ ના થયા, પૂરા ના થયા, જે પહેરવાથી ઓછું થયું નહીં, ઊલટો મોહ વધતો જ જાય છે. એટલે અગ્નિ સળગતી વધે જ મોહની. પ્રશ્નકર્તા : શોખ અને મોહમાં શું ફરક ? દાદાશ્રી : મોહ એટલે તો દારૂ પીધેલા જેવી સ્થિતિ અને શોખ તો દારૂ ના પીતો હોય તેનેય થાય. શોખ એટલે પોતે ઊભો કરેલો મોહ અને પેલો મોહ એટલે પરવશ મોહ. શોખ પોતે ઊભો કરેલો. એમાંથી છટકી જવું હોય તો છટકી જાય. ખાવા-પીવાનો વાંધો નહીં, પણ મોહ છે કે નહીં ? તે ઘડીએ મહીં જુદું કરી નાખવું જોઈએ. બ્રેક મારીને (જ્ઞાનજાગૃતિપૂર્વક) કામ કરવું જોઈએ. આપણું વિજ્ઞાન એવું નથી કે તમે આ કેમ કર્યું ? પ્રશ્નકર્તા : એ કેમનું ખબર પડે કે આ સમજેલું છે ને આ મોહથી લેવાય છે ? દાદાશ્રી : એવું અંદરથી સમજાય ત્યારે છૂટી શકે. પ્રશ્નકર્તા : અંદર (કેવી રીતે) સમજાય ? દાદાશ્રી : હા, આપણું જ્ઞાન એવું છે કે તરત અટકાવે, પણ છતાંય અટકે નહીં, એ ગાંઠે નહીં. પ્રશ્નકર્તા : પણ પ્રતિક્રમણ થાય તો ? દાદાશ્રી : પ્રતિક્રમણ થાય તો આ ફાયદો થાય, બીજી વખતે એ ઓછું થાય. પ્રતિક્રમણથી ઓછું થાય. પ્રતિક્રમણ થાય તોય સારું. મોહ ઓગળ્યે થશે તમારું કામ ગળ્યું જ્યારે ગળ્યું લાગે, કડવું જ્યારે કડવું જ લાગે, ત્યારે એ મોહ કહેવાય અને બેઉ ફિક્કા-મોળા લાગવા માંડે એટલે મોહનીય પરિણામ મોળા થઈ ગયા. આખો મોહ ઓગળ્યો કે હેંડ્યું ગાડું. નહીં તો શી ખોટ છે તે ? આત્મા તો ભગવાન કહેવાય, ચૌદ લોકનો નાથ કહેવાય ને એની હાજરીમાં લોકોને કહેશે, આજ બપોરના ચા પીવી હતી પણ ઠેકાણું પડ્યું નહીં. મેર ગાંડિયા ! કઈ જાતનું ! ચા અંતરાય આપે એને. આત્માની હાજરીથી બધી જ ચીજ હાજર હોય. હવે ‘વ્યવસ્થિત’ જ બધું તમારું ચલાવી લે છે. તમને જે જોઈશે એ તમારી પાસે આવીને ઊભું રહેશે. તમને જે ચીજની ઈચ્છા થાય તે ચીજ તમારી પાસે આવીને ઊભી રહેશે, તમારે મહેનતેય ના કરવી પડે એવું આ ‘જ્ઞાન’ છે. એટલે બહારની વાતમાં તમારે ચિંતા જ કરવાની નથી. તમે તમારા સ્વરૂપમાં રહો, નિરંતર. તમારા હિસાબસર બધું તમારી પાસે આવશે. મારે પણ બધું હિસાબસર જ આવે છે. અંદર રહેલો મોહ નીકળે સંયોગ ઉદયે મોહ નથી રહ્યાને કશાય હવે તમને ? પ્રશ્નકર્તા : ના, હવે નથી રહ્યા મોહ. દાદાશ્રી : એમ ? હવે મોહ હશે કે નહીં એ શી રીતે ખબર પડે ? જ્યારે અપમાન કરીને કાઢી મેલે ત્યારે ખબર પડે. કાઢી મેલે ત્યારે ખબર પડે ને કે આવું થાય, ત્યારે એને મોહ છે એનો. પ્રશ્નકર્તા : આપત્તિ નથીને. દાદાશ્રી : આપત્તિ નથી ? કીર્તિનો મોહ ખરો કે નહીં આ ? તારે કીર્તિનો મોહ ખરો કે ? પ્રશ્નકર્તા : નામનો મોહ શા કામનો ? દાદાશ્રી : કીર્તિના માટે તો આ બધો માર ખાધો અત્યાર સુધી. નામનો મોહ એટલે કીર્તિ કહેવાય. કીર્તિને માટે માર ખાધો. હવે કીર્તિ પછી અપકીર્તિ આવે. કીર્તિ આપણે લેવા જઈએ ને અપકીર્તિ આવે ત્યારે ભયંકર દુઃખ થાય. એટલે કીર્તિ-અપકીર્તિથી પર થવાનું આપણે. એટલે નામનોય મોહ નહીં અને નામનું એય નહીં આપણને. નામનો માહ એ કીર્તિ કહેવાય. પોતાની કીર્તિ બધી ગાજે ને પોતે આમ એ થાય, એમાં અપકીર્તિ આવવાનો ભય ખરો કે નહીં ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : નર્યો અપકીર્તિનો જ (ભય) છે આ. આ જગત જ બધું અત્યારે અપકીર્તિમાં છે અને પોતાની જાતનું પાર વગરનું સુખ છે ! આમ વિજ્ઞાને રહે મુક્ત, મોહ પરિણામથી આ બધું સમભાવે ફાઈલોનો નિકાલ કરો છો ને, એ ફાઈલો મોહવાળી ચીજ હતી. પોતે ભર્યો’તો રાજીખુશી થઈને એને, કેટલા મોહપૂર્વક ! તે અત્યારે એમાં શું સુખ છે, એવું ભાસ્યમાન પરિણામ લાગ્યું. આ જે ભરી લાવ્યો’તો, તે ખોટું નીકળ્યું. આ તો બધું આમાં શું સુખ છે, કહે છે. એટલે જ્યાં સુખ માનતો’તો, ત્યાં એને સુખના ભાસ્યમાન પરિણામ લાગ્યા. એટલે કૃપાળુદેવે કહ્યું, ‘વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ.’ જ્યાં મોહના પરિણામ હતા, તે ઊડી ગયા અને ભાસ્યમાન થયું, મિથ્યા ભાસ્યું. કૃપાળુદેવ સાધુઓને કહે છે કે ‘ભાઈ, મોહ અડી જશે તમને.’ અને આપણને નથી અડતો એ તમે અનુભવ્યુંને ? પ્રશ્નકર્તા : બરોબર અનુભવ કર્યો છે. દાદાશ્રી : તમે આ પેડર રોડ રહો છો પણ તમને મોહ જરાય અડતો નથીને ? મેં જોયું, આટલા દહાડા, કશું નહીં. કોઈ પણ પ્રકારનો મોહ અડતો નથી. છે ને, મોહમયી (મુંબઈ) નગરી કંઈ જતી રહી છે ? અને (જ્ઞાન લીધા) પહેલા તો જો ગજવામાં પૈસા હોય અને ફોર્ટ એરિયામાં ગયા તો મનમાં આ લેવાનું થાય, મોહ ખેંચે, વસ્તુઓ ખેંચે. ના ખેંચે ? અને બધી વસ્તુઓ લાવી રાખી હોય તો પછી ગાડી, આ આના કરતા આપણે ફોરેનની ગાડી લાવો. ‘અલ્યા, ગાડીઓ છે તે ?’ ત્યારે કહે, ‘ના, ફોરેનની હોય તો...’ એટલે જે તે મોહમાં જ પડેલો હોય, અને હવે મુંબઈમાં ગમે તેવું વેચાતું હોય પણ એમાં દ્રષ્ટિ ના જાય. આકુળ-વ્યાકુળ કોઈ ચીજ કરે નહીં. ગમે તેટલો મોહ ઉછાળે ચઢ્યો હોય તોય આપણને અડે નહીં. આવો કળિયુગ છે, દુષમકાળ છે, મુંબઈ જેવી મોહનગરી છે, છતાં પણ મને કશું અડતું નથી ને નિરંતર સમાધિ, વીસ વર્ષથી નિરંતર સમાધિ રહ્યા કરે છે. બોલો હવે, અત્યારે આ મોહમયીનગરીમાં આવું હોતું હશે ? એટલે આ વિજ્ઞાન જ જુદું છે, અક્રમ વિજ્ઞાન છે, અલૌકિક વિજ્ઞાન છે, તરત જ મોક્ષફળ આપનારું છે. એટલે આપણે તો અહીં કામ કાઢી લેવાનું છે. જય સચ્ચિદાનંદ |