ઘરમાં ક્લેશ મિટાવવાની કળા

સંપાદકીય

વસુધૈવ કુટુંબકમની ભાવના જે હિન્દુ સંસ્કૃતિના પાયામાં રહેલી છે, તે ભાવનાની યથાર્થતા શું આ કાળમાં પૂર્ણતાએ જોવા મળી શકે ખરી ? આખું વિશ્વ તો ઠીક પણ જ્યાં કુટુંબમાં જ વ્યક્તિગત સ્વાર્થના કારણે જો એ ભાવના ફળીભૂત ના થતી હોય તો પછી આ સંસારરૂપી રથને અંતિમ ધ્યેય સુધી કેવી રીતે પહોંચાડી શકાય ?

લગ્નજીવનનો મુખ્ય ધ્યેય શું હોવો ઘટે ? મોજશોખ કે વિષય ? ના, હકીકતમાં તો એકબીજાના પૂરક બની પોતે મનુષ્યજીવનના અંતિમ ધ્યેયરૂપ મુક્તિસુખને પ્રાપ્ત કરવું એ જ ધ્યેય હોવો ઘટેને ? અને એ ધ્યેય કેવી રીતે સિદ્ધ કરી શકાય ? તો કહે, શુદ્ધ નિશ્ચય અને શુદ્ધ વ્યવહારથી.

આ સંસાર શું છે ? કર્મો ખપાવવાની દુકાન. પૂર્વે બંધાયેલા હિસાબો વસૂલાત કરવાનું સ્થાન. આવા મૃગજળ જેવા વસમા સંસારમાં સ્વરૂપ જ્ઞાન સિવાય સાચું સુખ પ્રાપ્ત કેવી રીતે કરી શકાય ? જ્યાં સુધી આત્મજ્ઞાન ના થાય, ત્યાં સુધી તો રાગ-દ્વેષથી લોક સંસારમાં રખડાયા કરે, પણ નિશ્ચય પ્રાપ્ત થયા પછી, શુદ્ધાત્માનું લક્ષ પ્રાપ્ત થયા પછી તો રાગ-દ્વેષના હિસાબોમાંથી છૂટી વીતરાગતા પ્રાપ્ત કરવાનું ધ્યેય હોવું ઘટેને ? તો જ સંસારમાં મુક્તિના આનંદ માણી શકાયને ?

આવું અદભુત જ્ઞાન મળ્યા પછી સંસાર જીવનમાં મુક્તતા, આનંદ કેમ વર્તાતા નથી ? એનું કારણ જીવન વ્યવહારમાં સર્જાતી અથડામણો. અથડામણનું કારણ શું ? અજ્ઞાનતા અને એ જ અહંકાર. જ્ઞાન મળ્યા પછી ભલે અત્યારે ડિસ્ચાર્જ અહંકાર છે પણ પૂર્વભવના રાગ-દ્વેષની અસરવાળો છે. માટે જ્યારે વ્યવહાર ઉકલે ત્યારે જાગૃતિ રહેતી નથી. ખાસ કરીને ચીકણી ફાઈલો સાથે ત્યાં પોતે તન્મયાકારપણે વર્તે છે અને બીજાની ભૂલ, દોષ જોઈ પોતે તો દુઃખી થાય છે પણ બીજાનેય દુઃખી કરે છે. આને આદર્શ વ્યવહાર કેમ કહેવાય ?

મોક્ષે જવા માટે આદર્શ વ્યવહાર જોઈએ. ધ્યેય સુધી પહોંચવા માટે સંસારરૂપી રથના બન્ને પૈડાં ‘નિશ્ચય અને વ્યવહાર’ સમાન રહે તો જ રથ આગળ ચાલેને ? વ્યવહારમાં પછી પંક્ચર પડે તો પછી રથ આગળ ચાલવાને બદલે ત્યાં જ ગોળ ગોળ ફર્યા કરેને, ઘાંચીના બળદની માફક ! અને એ તો આપણને ના જ પાલવેને ? એટલે જ પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) નિશ્ચય પ્રાપ્ત કરાવ્યા પછી આદર્શ વ્યવહાર કેમ કરીને કરી શકાય તેની સ્વાનુભવ પૂર્ણ સચોટ અને અસરકારક વ્યવહારકળા શીખવે છે જેના આધારે સંસારમાં વિના વિટંબણાએ પાર કરી શકાય.

દાદાશ્રી કહે છે કે મોક્ષે જતાં સંસાર કે ફાઈલો નડતી નથી પણ પોતાની જાગૃતિની કચાશ નડે છે. વ્યવહાર તો વ્યવસ્થિતના આધીન ઉકલી જ રહ્યો છે, ત્યાં પછી બીજાની ભૂલ કેમ કરીને કઢાય ? વ્યવહાર તો પ્રેમપૂર્વકનો હોવો જોઈએ, જ્યાં આસક્તિ, અપેક્ષા, આગ્રહ કે દોષારોપણ ના હોય, કષાય-વિષય ના હોય. કેવળ શુદ્ધ પ્રેમ જ હોય. પ્રેમપૂર્વક માવજત એવી હોવી ઘટે કે કાંટા આપણને વાગે નહીં ને ફૂલ પૂર્ણતાએ ખીલી જીવનમાં સુવાસ પ્રસરાવી શકે. અને એ માટે સંસારમાં પતિ-પત્નીની સમાન જવાબદારી બની રહે છે કે આજ્ઞાપૂર્વકનો, કોઈને પણ દુઃખરૂપ ના થાય એવો આદર્શ વ્યવહાર આચરી મોક્ષનો પુરુષાર્થ કરી લે.

પ્રસ્તુત સંકલનમાં ઉદ્બોધાયેલ પરમ પૂજ્ય દાદાશ્રીની વ્યવહાર કળા ફાઈલ નં-૨ના ઋણાનુબંધમાંથી મુક્ત થવાની સચોટ અને સરળ સમજણ પ્રદાન કરે છે અને એ જ આ અક્રમ વિજ્ઞાનીની મહાત્માઓને અણમોલ ભેટ છે.

જય સચ્ચિદાનંદ.

ઘરમાં ક્લેશ મિટાવવાની કળા

મોક્ષે જતા નડે છે પોતાના સૂક્ષ્મ કર્મ

પ્રશ્નકર્તા : દાદા, સંસારમાં સ્ત્રી હોય, પૈણ્યા હોય અને મોક્ષે જવું છે, તે મનમાં થયા કરે કે ‘હું પૈણ્યો છું, તે હવે શી રીતે મોક્ષે જવાય ?’

દાદાશ્રી : અલ્યા, સ્ત્રી નથી નડતી, તારા સૂક્ષ્મકર્મ નડે છે. તારા સ્થૂળકર્મ કોઈ નડતા નથી. એ મેં ‘ઓપન’ (ખુલ્લું) કર્યું છે. આ સાયન્સ ‘ઓપન’ ના કરું તો મહીં ભડકાટ, ભડકાટ, ભડકાટ રહે; મહીં અજંપો, અજંપો, અજંપો રહે ! પેલા સાધુઓ કહે કે અમે મોક્ષે જઈશું. અલ્યા, તમે શી રીતે મોક્ષે જવાના છો તે ? શું છોડવાનું છે તે તો જાણતા નથી. તમે તો સ્થૂળને છોડ્યું. આંખે દેખાય, કાને સંભળાય, એ છોડ્યું. એનું ફળ તો આ ભવમાં જ મળી જશે. કંઈ બૈરી છોડીને નાસી જવાય ? બૈરી છોડીને નાસી જઈએ અને આપણો મોક્ષ થાય, એ બનેય ખરું ? કો’કને દુઃખ દઈને આપણો મોક્ષ થાય, એ બને ખરું ? એટલે બૈરી-છોકરાંની ફરજો બધી જ બજાવો. અને સ્ત્રી જે જમવાનું આપે તે નિરાંતે ખાવ, પણ એ બધું સ્થૂળ છે, એ સમજી જજો ! સ્થૂળની પાછળ તમારો અભિપ્રાય એવો ના રહેવો જોઈએ કે જેથી કરીને સૂક્ષ્મમાં ચાર્જ થાય. એટલા માટે મેં તમને ‘પાંચ વાક્યો’ (પાંચ આજ્ઞા) આપ્યા છે. મહીં અભિપ્રાય એવો ના રહેવો જોઈએ કે ‘આ ‘કરેક્ટ’ (સાચું) છે. હું જે કરું છું, જે ભોગવું છું એ કરેક્ટ છે’ એવો અભિપ્રાય ના હોવો જોઈએ. બસ, આટલો તમારો અભિપ્રાય જ ફર્યો કે બધું થઈ ગયું. આ સાયન્સ નવી જ જાતનું છે. આ તો ‘અક્રમ વિજ્ઞાન’ છે, જેનાથી આ લોકોને બધી રીતે ‘ફેસિલિટી’ (સગવડ) થઈ પડે.

એકબીજાના પૂરક થઈએ

બધા ધર્મોએ ગૂંચવાડો ઊભો કર્યો કે સ્ત્રીઓને છોડી દો. ત્યારે કહે, અલ્યા, સ્ત્રીને છોડી દઉં તો હું ક્યાં જાઉ ? મને ખાવાનું કોણ કરી આપે ? હું આ મારો વેપાર કરું કે ઘેર ચૂલો કરું ?

પ્રશ્નકર્તા : એટલે એકબીજાને પૂરક છે.

દાદાશ્રી : હા, પૂરક છે બધું. ‘પરસ્પર દેવો ભવ’ એટલે બાયડી (સ્ત્રી) છોડી દો તો મોક્ષ મળશે, એવું કહે તો બાયડીએ શું ગુનો કર્યો છે ?

પ્રશ્નકર્તા : અને સ્ત્રીઓય એમ કહેને, કે અમારેય મોક્ષ જોઈએ, અમારે તમે નથી જોઈતા.

દાદાશ્રી : હા, એવું જ બોલેને ! આપણો ને આ બઈનો બેઉનો સહિયારો વેપાર.

ધર્મને માટે આગળ વધવા માટે સ્ત્રી કરવાની છે. બેઉ સાથે રહે ને આગળ વધે. પણ એ વિષયરૂપ થઈ ગયું. તે આગળ વધવાનું તો ક્યાં ગયું પણ વઢંવઢા કરે છે. સ્ત્રી હોય અને વિષય ન હોય તો વાંધો જ નથી. હા, આપણા ઋષિ-મુનિઓ પૈણતાને ! તે એક-બે, એક બાબો ને એક બેબી એટલે બસ, બીજું કંઈ નહીં. પછી ફ્રેન્ડશીપ (મિત્રતા). આવું જીવન જીવવાનું છે.

સમાધાનપૂર્વકનો વ્યવહાર હો

પ્રશ્નકર્તા : શુદ્ધાત્માસ્વરૂપ થાય પછી સંસારમાં પત્ની જોડેનો સંસાર વ્યવહાર કેવો કરવો ? અને તે કેવા ભાવે કરવો ?

દાદાશ્રી : આ વ્યવહાર તો તમારે પત્ની જોડે... બન્નેને સમાધાનપૂર્વક વ્યવહાર રાખજો. તમારું સમાધાન ને એમનું સમાધાન થતું હોય, એવો વ્યવહાર રાખજો. એમને અસમાધાન થતું હોય ને તમારું સમાધાન થતું હોય એ વ્યવહાર બંધ કરજો. અને છોકરાં તમને કહે, ‘પપ્પાજી’ તો કહેવું, ‘હા, બાબા ચાલ તારું...’ ‘પપ્પાજી’ કહે તો એને ‘ના’ ના કહી દેશો. આપણે ખુશી થઈને, રાજીખુશીથી કહેવું, ‘ચાલ, હું આવું છું.’ ‘પપ્પાજી’ કહેવાનો એનો ધર્મ છે ને એ આપણે ‘પપ્પાજી’એ એને એન્કરેજ (પ્રોત્સાહન) કરવું જોઈએ. વ્યવહાર છે ને ? અને આપણાથી સ્ત્રીને કંઈ દુઃખ ન થવું જોઈએ. તમને કેમ લાગે છે ? કેવો વ્યવહાર કરવાનો ? એને દુઃખ ન થાય તેવો. બની શકે કે ના બની શકે ? હા, સ્ત્રી પૈણેલા છે તે સંસાર વ્યવહાર માટે છે, નહીં કે બાવા થવા માટે. અને સ્ત્રી પાછી મને ગાળો ન દે કે ‘આ દાદાએ મારો સંસાર બગાડ્યો !’ હું એવું નથી કહેવા માંગતો.

ગૂંચાય નહીં એવો કરીએ ઉપાય

એવું છે, આ સંસારીઓને જ્ઞાન આપ્યું છે. કંઈ બાવા થવાનું મેં નથી કહ્યું, પણ જે ફાઈલો હોય એનો સમભાવે નિકાલ કરો, અને પ્રતિક્રમણ કરો, આ બે ઉપાય બતાવ્યા છે. આ બે કરશો તો તમારી દશાને કોઈ ગૂંચવનાર છે નહીં. ઉપાય ના બતાવ્યા હોય તો કિનારા પર ઊભું રહેવાય જ નહીંને ? કિનારા પર જોખમ છે.

કાઢી ભૂલ, ભોંકી શૂળ

દાદાશ્રી : કોઈ દહાડો તારી ભૂલ એ કાઢે કે ના કાઢે ?

પ્રશ્નકર્તા : કાઢે.

દાદાશ્રી : તે ઘડીએ તું એમની ભૂલ કાઢું કે ના કાઢું ?

પ્રશ્નકર્તા : ચોક્કસ.

દાદાશ્રી : હા, એ જ હું કહું છું. ફેમિલી(કુટુંબ)માં ભૂલ ના કઢાય.

પ્રશ્નકર્તા : એવું કંઈ સમજાવોને, કેમ ભૂલ ના કઢાય ?

દાદાશ્રી : ભૂલ તો કઢાતી હશે પણ ? ભૂલ કાઢવાથી શું ફાયદો ? ઈમોશનલ (ભાવુક) માણસ જ ભૂલ કાઢે. કોઈને ભૂલ કાઢવાનો અધિકાર નથી. ભૂલ કાઢવાનું કેટલા વખતથી ચાલે છે ? આ બગડી ગયું એવું બોલે કોઈ દહાડો ?

પ્રશ્નકર્તા : થોડી થોડી ચાલે, નાની નાની ભૂલ કાઢું છું.

દાદાશ્રી : એની ભૂલ કોઈ દા’ડો કાઢો છો કે દરરોજ ?

પ્રશ્નકર્તા : દરરોજ.

દાદાશ્રી : ના, ભૂલ ના કઢાય. ભૂલ કઢાતી હશે ? કોઈ મિત્ર હોય તેની ભૂલ કાઢીએ તો મિત્રપણું છૂટી જાય.

પ્રશ્નકર્તા : પણ ભૂલ કાઢું એમાં એને દુઃખ કેમ થાય ?

દાદાશ્રી : પણ એ કહેવાની જરૂર શું હતી ? તે એવું છે ને, આપણા લોકોએ આખું ઘર ખરાબ કરી નાખેલું છે, આમ ઝઘડા કરીને.

પ્રશ્નકર્તા : હા, પણ કોઈ રસ્તે જતા માણસને કહે તો એને દુઃખ થઈ જાય, પણ ઘરમાં એવું દુઃખ ના થવું જોઈએ, ભૂલ કાઢો તો. ધેર ઈઝ નથિંગ રોંગ ઈન ધેટ (એમાં કંઈ ખોટું નથી) !

દાદાશ્રી : ના, ભૂલ કઢાય જ નહીં. દુઃખ તો થાય જ હંમેશાં. ભૂલ કાઢવી એટલે દુઃખ થાય જ. એ કાઢવી જ નહીં. એનું અપમાન કર્યા બરાબર છે એ તો. એ તો એની પર તમને વેર છે એક જાતનું. અગર તો ધણીપણું બજાવો છો. હું છું ! આ મોટા ધણી આવ્યા !

એક ભાઈને પૂછ્યું, ‘ઘરમાં કોઈ દિવસ વાઈફની ભૂલ કાઢું છું ?’ ત્યારે કહે, ‘એ છે ભૂલવાળી એટલે ભૂલ જ કાઢવી પડેને !’ મેં કહ્યું, ‘અક્કલનો કોથળો આવ્યો આ ! વેચવા જઈએ તો ચાર આના બારદાનના આવે નહીં અને એ માની બેઠો કે આ વહુ ભૂલવાળી, લે !’ એવું માની બેસે છે. કેવું ખોટું દેખાય ? આ તો ખોટી ખોટી ભૂલો કાઢીએ ને કહેશે, તારામાં અક્કલ નથી. તે રોજ બૂમો પાડે. અક્કલ તો કોનું નામ કહેવાય, કે ભૂલ ક્યારે કાઢે, કે ખરેખર એ પોતે સમજતી ના હોય ત્યારે ભૂલ કાઢે ને પેલી ઉપકાર માને તો એ અક્કલવાળો કહેવાય. એ જ કહેશે, ‘બહુ સારું થયું. આ મને દેખાડી, નહીં તો હું આડે ને આડે રસ્તે ચાલી જાત. સારું થયું તમે મને શીખવાડ્યું.’ તો એ એડવાન્સ થાય. મૂઆ, આ એ કઢીની બાબતમાં એડવાન્સ તું શું કરવાનો છું ? તું જ (સીધો) થયો નહીંને ! તારામાં બરકત તો છે નહીં !

કઢી ખારી, આધારના આધારે

આ જ્ઞાન તો પચાસમે વર્ષે મને થયું, પણ હું તો ચાલીસ વર્ષની ઉંમરે કઢીમાં પાણી રેડી દેતો’તો, ખારી થાય ત્યારે. તે હીરાબા એક ફેરો જોઈ ગયા. તે કહે, ‘પાણી રેડ્યું ! પાણી રેડ્યું !’ મેં કહ્યું, ‘હવે નહીં રેડું.’ હું સમજી જઉ. ચૂલા ઉપરેય પાણી રેડીને જ મોળી કરે છે ને, આપણે નીચે મોળી કરો. અરે, નહીં તો હું શું કરું ? થોડો શીરો પડ્યો હોયને મારા ભાણામાં, તે ગળપણ કશું હોય ને, તે કઢીમાં ચોળી દઉ અને મોળી કરી નાખું. ગમે તે રસ્તે ખાવાલાયક કરી નાખું. પછી ખાંડ-બાંડ માંગું નહીં. એટલે જાણે નહીં કે આ તો કઢી ખારી થઈ ગઈ. એવું કહેવા-કરવાનું નહીં. કશું માંગું-કરું નહીં. અમારે ત્યાં બધાને પૂછો તો કહે, ‘ના, દાદાજી બોલ્યા નથી કોઈ દહાડોય !’ હું શું કરવા બોલું ? બોલનારા બધા હોશિયાર છે ને !

પછી સ્ત્રીઓ અંદર અંદર શું કહે, ‘એ કાળમુખા જ છે !’ આવો તો અપજશ આપણને આપે તેના કરતા આપણે સીધા રહોને ! પાંસરા થઈ જાવને ! કઢી ખારી શેના આધારે થઈ ? ત્યારે કહે, ‘આધારના આધારે આવી આ. એનો આધાર છે. એમને એમ નથી, નિરાધાર નથી.’ આ તો ગાંડપણ. તે સમજણ નહીં પડવાથી ‘એણે કઢી ખારી કરી’ કહે. મૂઆ, એ તે કરતી હશે આવી ? એને તો સો રૂપિયા આપીએ તોય કઢી બગાડે નહીં.

ફેમિલીમાં હોય પ્રેમપૂર્ણ વ્યવહાર

ઘરમાં કોઈની ભૂલ કાઢવી નહીં. તમને કેમ લાગે છે વાત ?

પ્રશ્નકર્તા : સરસ.

દાદાશ્રી : છતાં એ નથી જાણતા બધા લોકો ?

પ્રશ્નકર્તા : ઘણા લોકોને એની ટેવ પડી હોય તો એમાં શું કરવાનું ?

દાદાશ્રી : ટેવ નહીં, આ તો ઉપરીપણું જોઈએ છે એને. એને ભૂલ કાઢવી છે જાણીજોઈને. હવે એ ખોટું કહેવાય. આ ફેમિલી ના કહેવાય. ફેમિલી એટલે પ્રેમથી રહેવું જોઈએ.

એ ખોટું લાગેને બધું. મનમાં એ રાહ જુએ કે ફરી એમની ક્યારે હું ભૂલ કાઢું, એવું ના હોવું જોઈએ. આપણી સુંદર લાઈફ (જિંદગી) હોવી જોઈએ. તમને વાત કંઈ વ્યાજબી લાગે છે ?

પ્રશ્નકર્તા : ખરીને.

દાદાશ્રી : હવે એ જે ભૂલ જાણતી હોય એ ભૂલો ના કાઢશો.

(કશો) ડખો નહીં થવો જોઈએ. બેનને એવું ના થવું જોઈએ કે આ ખોટો ખોટો સુધારવા ફરે છે.

પ્રશ્નકર્તા : પણ ધણીને થતું હોય તો ?

દાદાશ્રી : એ પછી રશિયા ને અમેરિકા જેવું થાય. આ અમેરિકા આમ કરે ત્યારે રશિયા આમ કરે, એટલે પછી સામસામી બેઉ લડે અને ફેમિલી લાઈફ ઊડી જાય આમાં, શોભે નહીં આપણને, થોડો થોડો ફેરફાર થવો જોઈએ. આપણે ઈન્ડિયન (ભારતીય) છીએ. વિચાર્યા પછી ફેરફાર ન કરીએ તો આપણે ઈન્ડિયન શેના ? ના સમજ પડી બેન તને ?

પ્રશ્નકર્તા : હા, સમજી.

દાદાશ્રી : એટલે બેનો તમારે સમજવું કે જે ભૂલ ધણી સમજી શકતા હોય, એ ભૂલ આપણે કાઢવી નહીં. જે ભૂલ બેનો સમજી શકતી હોય, તે ભૂલ ધણીએ કાઢવી નહીં.

પ્રેમથી સુધરે સંબંધો

પ્રશ્નકર્તા : ઘણા પોતાની ભૂલ સમજતા હોય છતાં સુધરે નહીં તો ?

દાદાશ્રી : એ કહેવાથી સુધરે નહીં, કહેવાથી તો અવળો થાય ઊલટો.

આ બધું સુધારવાનું હોયને તો પ્રેમથી સુધરે. આ બધાને હું સુધારું છુંને, એ પ્રેમથી સુધારું છું. આ અમે પ્રેમથી જ કહીએ એટલે વસ્તુ બગડે નહીં અને સહેજ દ્વેષથી કહીએ કે એ વસ્તુ બગડી જાય. દૂધમાં દહીં પડ્યું ના હોય અને અમથી જરા હવા લાગી ગઈ, તોય એ દૂધનું દહીં થઈ જાય.

પ્રશ્નકર્તા : આપ જે પ્રેમની વાત કરો છો, એમાં પ્રેમની અપેક્ષાઓ હોય ખરી ?

દાદાશ્રી : અપેક્ષા ? પ્રેમમાં અપેક્ષા ના હોય. દારૂ પીતો હોય તેની પરેય પ્રેમ હોય અને દારૂ ના પીતો હોય તેની પરેય પ્રેમ હોય. પ્રેમ સાપેક્ષ ના હોય.

પ્રેમમાં ભૂલ ના દેખાય

પ્રેમ બધે હોવો જોઈએ. આખા ઘરમાં પ્રેમ જ હોવો જોઈએ. અને જ્યાં પ્રેમ છે ત્યાં ભૂલ ના કાઢે કોઈ. પ્રેમમાં ભૂલ ના દેખાય. આ પ્રેમ નથી, ઈગોઈઝમ (અહંકાર) છે. પ્રેમ એનું નામ કહેવાય કે ભૂલ ના લાગે. પ્રેમમાં ગમે તેટલી ભૂલ હોય તો નભાવી લે. તમને સમજાય છે ?

પ્રશ્નકર્તા : હાજી.

દાદાશ્રી : એટલે ભૂલચૂક થાય કે પ્રેમની ખાતર જવા દેવી. પ્રેમ નભાવી લે બધું, નભાવી લે ને ?

બાકી આ તો આસક્તિ બધી ! ઘડીમાં વહુ છે તે આ ગળે હાથ વળગાડે ને ચોંટી પડે અને પછી ઘડીમાં પાછા બોલમ્બોલ કરે. તેં આવું કર્યું ને તેં આમ કર્યું. પ્રેમમાં કોઈ દહાડો ભૂલ ન હોય. પ્રેમમાં ભૂલ દેખાય નહીં. આ તો પ્રેમ જ ક્યાં છે ? તમને કેમ લાગે છે ? ઘરમાં સંતોષ જોઈએ કે ના જોઈએ ?

પ્રશ્નકર્તા : જોઈએ જ.

દાદાશ્રી : ઘરમાં આડખીલી કરવાની હોય ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : આપણને ભૂલ ના દેખાય તો આપણે જાણીએ કે આની જોડે પ્રેમ છે આપણને. ખરેખર પ્રેમ હશે આ લોકોને ?

પ્રશ્નકર્તા : ડાઉટફૂલ (શંકાસ્પદ) !

દાદાશ્રી : એટલે આને પ્રેમ કેમ કહેવાય ?

જુદાઈ ત્યાં દુઃખ

બઈ કહે કે ‘હું તમારી છું’ ને ધણી કહે કે ‘હું તારો છું’ પછી મતભેદ કેમ ? તમારા બેની અંદર ‘પ્રોબ્લેમ’ (સમસ્યા) વધે તેમ જુદું થતું જાય. ‘પ્રોબ્લેમ’ ‘સૉલ્વ’ થઈ (ઉકલી) જાય પછી જુદું ના થાય. જુદાઈથી દુઃખ છે. અને બધાને ‘પ્રોબ્લેમ’ ઊભા થવાના, તમારે એકલાને થાય છે એવું નથી. જેટલાએ શાદી કરી તેને ‘પ્રોબ્લેમ’ ઊભા થયા વગર રહે નહીં.

મારે તો કોઈની જોડે મતભેદ પડ્યો જ નથી અત્યાર સુધી, તો પછી મનભેદ તો હોય જ નહીંને ! મતભેદ ના હોય તો મનભેદ હોય જ નહીં. અમે તો પ્રેમસ્વરૂપ ! બધું મારું પોતાનું જ છે. એ પ્રેમથી જ બધું આ છે.

વિચારશીલ માણસ ધીમે રહીને વિચારે કરીને મતભેદ કાઢી નાખે. મતભેદથી તો આ જગત બધું ઊભું રહ્યું છે અને ધીમે ધીમે એ કમી કરવા જેવી ચીજ છે. આપને કેમ લાગે છે ?

મતભેદ એટલે અથડામણ છે એક જાતની, એવું આપને સમજાયું ?

પ્રેમ ત્યાં ના હોય વિભક્તા

તમારે જમતી વખતે ટેબલ પર મતભેદ થાય છે ?

પ્રશ્નકર્તા : એ તો થાયને !

દાદાશ્રી : કેમ પરણતી વખતે આવો કરાર કરેલો ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તે વખતે તો કરાર કરેલા કે સમય વર્તે સાવધાન. ઘરમાં વાઈફ જોડે ‘તમારું ને અમારું’ એવી વાણી ના હોવી જોઈએ. વાણી વિભક્ત ના હોવી જોઈએ, વાણી અવિભક્ત હોવી જોઈએ. આપણે અવિભક્ત કુટુંબનાને ?

ફરી જઈને પણ ટાળ્યો મતભેદ

અમારે હીરાબા જોડે ક્યારેય મતભેદ થયો નથી, ક્યારેય વાણીમાં ‘મારી-તારી’ થયું નથી. પણ એક ફેરો અમારે મતભેદ પડી ગયેલો. એમના ભાઈને ત્યાં પહેલી દીકરીના લગ્ન હતા. તે એમણે મને પૂછયું કે ‘એમને શું આપવું છે ?’ ત્યારે મેં તેમને કહ્યું કે ‘તમને ઠીક લાગે તે, પણ ઘરમાં આ તૈયાર ચાંદીના વાસણો પડેલા છે તે આપજો ને ! નવું બનાવશો નહીં.’ ત્યારે એમણે કહ્યું કે ‘તમારા મોસાળમાં તો મામાની દીકરી પરણે તો મોટા મોટા તાટ બનાવીને આપો છો !’ એ ‘મારા’ ને ‘તમારા’ શબ્દો બોલ્યા ત્યારથી હું સમજી ગયો કે આજ આબરૂ ગઈ આપણી ! આપણે એકના એક ત્યાં ‘મારા-તમારા’ હોય ? હું તરત સમજી ગયો ને તરત ફરી ગયો, મારે જે બોલવું હતું તે ઉપરથી હું આખોય ફરી ગયો. મેં તેમને કહ્યું, ‘હું એવું નથી કહેવા માગતો. તમે આ ચાંદીના વાસણ આપજો ને ઉપરથી પાંચસો એક રૂપિયા આપજો, એમને કામ લાગશે.’ ત્યારે એ કહે, ‘હં... એટલા બધા રૂપિયા તે કંઈ અપાતા હશે ? તમે તો જ્યારે ને ત્યારે ભોળા ને ભોળા જ રહો છો, જેને તેને આપ-આપ જ કરો છો.’ મેં કહ્યું, ‘ખરેખર મને તો કશું આવડતું જ નથી.’

જુઓ, આ મારે મતભેદ પડતો હતો, પણ કેવો સાચવી લીધો ફરી જઈને ! સરવાળે મતભેદ ના પડવા દીધો. છેલ્લા ત્રીસ-પાંત્રીસ વર્ષથી અમારે નામેય મતભેદ નથી થયો. બા પણ દેવી જેવા છે ! મતભેદ કોઈ જગ્યાએ અમે પડવા ના દઈએ. મતભેદ પડતા પહેલા જ અમે સમજી જઈએ કે આમથી ફેરવી નાખો, ને તમે તો ડાબું ને જમણું બે બાજુનું જ ફેરવવાનું જાણો કે આમના આંટા ચઢે કે આમના આંટા ચઢે. અમને તો સત્તર લાખ જાતના આંટા ફેરવતા આવડે. પણ ગાડું રાગે પાડી દઈએ, મતભેદ થવા ના દઈએ. આપણા સત્સંગમાં વીસેક હજાર માણસો ને ચારેક હજાર મહાત્માઓ, પણ અમારે કોઈ જોડે મતભેદ નથી. જુદાઈ માની જ નથી મેં કોઈની જોડે !

ઊંધાનું છતું કરે સમકિત

જ્યાં મતભેદ છે ત્યાં અંશજ્ઞાન છે ને જ્યાં મતભેદ જ નથી ત્યાં વિજ્ઞાન છે. જ્યાં વિજ્ઞાન છે ત્યાં સર્વાંશ જ્ઞાન છે. ‘સેન્ટર’માં બેસે તો જ મતભેદ ના રહે, ત્યારે જ મોક્ષ થાય. પણ ડિગ્રી ઉપર બેસો ને ‘અમારું-તમારું’ રહે તો એનો મોક્ષ ના થાય. નિષ્પક્ષપાતીનો મોક્ષ થાય.

સમકિતીની નિશાની શું ? ત્યારે કહે, ઘરના બધા ઊંધું કરી આપે તોય પોતે છતું કરી નાખે. બધી બાબતમાં છતું કરવું એ સમકિતીની નિશાની છે આટલું જ ઓળખવાનું છે કે આ ‘મશિનરી’ કેવી છે, એનો ‘ફ્યુઝ’ ઊડી જાય તો શી રીતે ‘ફ્યુઝ’ બેસાડી આપવો. સામાની પ્રકૃતિને ‘એડજસ્ટ’ થતાં આવડવું જોઈએ. જો સામાનો ‘ફ્યુઝ’ ઊડી જાય તોય અમારું એડજસ્ટમેન્ટ હોય. પણ સામાનું ‘એડજસ્ટમેન્ટ’ તૂટે તો શું થાય ? ‘ફ્યુઝ’ ગયો. એટલે પછી તો એ ભીંતે અથડાય, બારણે અથડાય પણ વાયર તૂટતો નથી. એટલે જો કોઈ ફ્યુઝ નાખી આપે તો પાછું રાગે પડે, નહીં તો ત્યાં સુધી એ ગૂંચાય.

મતભેદ પરિણમે મનભેદમાં

બહુ મોટું વિશાળ જગત છે, પણ આ જગત પોતાના રૂમની અંદર છે એટલું જ માની લીધું છે અને ત્યાંય જો જગત માનતો હોય તોય સારું. પણ ત્યાંય ‘વાઈફ’ જોડે લઠ્ઠબાજી ઉડાડે !

બૈરી અને ધણી બેઉ પાડોશી જોડે લડતા હોય ત્યારે બેઉ એકામત ને એકાજત હોય. પાડોશીને કહે કે ‘તમે આવા ને તમે તેવા.’ આપણે જાણીએ કે આ મિયાં-બીબીની ટોળી અભેદ ટોળી છે, નમસ્કાર કરવા જેવી લાગે છે. પછી ઘરમાં જઈએ તો બહેનથી જરા ચામાં ખાંડ ઓછી પડી હોય, એટલે પેલો કહેશે કે હું તને રોજ કહું છું કે ચામાં ખાંડ વધારે નાખ, પણ તારું મગજ ઠેકાણે નથી રહેતું. આ મગજના ઠેકાણાવાળો ચક્કર ! તારા જ મગજનું ઠેકાણું નથીને ! અલ્યા, કઈ જાતનો છે તું ? રોજ જેની જોડે સોદાબાજી કરવાની હોય ત્યાં કકળાટ કરવાનો હોય ?

‘વાઈફ’ જોડે પણ મતભેદ થાય, ત્યાંય એકતા ના રહે તો પછી બીજે ક્યાં રાખવાની ? એકતા એટલે શું કે ક્યારેય મતભેદ ના પડે. આ એક જણ (પત્ની) જોડે નક્કી કરવું કે તમારે ને મારે મતભેદ ના પડે. એટલી એકતા કરવી જોઈએ. એવી એકતા કરી છે તમે ?

પ્રશ્નકર્તા : આવું કોઈ દહાડો વિચારેલું નહીં. આ પહેલી વાર વિચારું છું.

દાદાશ્રી : હા, તે વિચારવું પડશે ને ? ભગવાન કેટલા વિચાર કરી કરીને મોક્ષે ગયા ! મતભેદ ગમે છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : મતભેદ થાય ત્યારે ઝઘડા થાય, ચિંતા થાય. તે મતભેદમાં આવું થાય છે, તો મનભેદમાં શું થાય ? મનભેદ થાય, ત્યારે ડાઈવોર્સ (છૂટાછેટા) લે અને તનભેદ થાય ત્યારે નનામી નીકળે.

સમજણવાળા છોડી દે

તમારે મતભેદ વધારે પડે કે એમને વધારે પડે છે ?

પ્રશ્નકર્તા : એમને વધારે પડે છે.

દાદાશ્રી : ઓહોહો ! મતભેદ એટલે શું ? મતભેદનો અર્થ તમને સમજાવું. આ દોર ખેંચવાની રમત હોય છે ને, તે જોયેલી તમે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : બે-ચાર જણ આ બાજુ ખેંચે, બે-ચાર જણ પેલી બાજુ ખેંચે. મતભેદ એટલે દોર ખેંચવો. એટલે આપણે ઘેર જોઈ લેવું કે આ બેન ખૂબ જોરથી ખેંચે છે અને આપણે જોરથી ખેંચીશું, બેઉ જણ ખેંચીએ તો પછી શું જાય ?

પ્રશ્નકર્તા : તૂટી જાય.

દાદાશ્રી : અને તૂટી જાય તો ગાંઠ વાળવી પડે. તો ગાંઠ વાળીને પછી ચલાવવું, એના કરતા આખી રાખીએ, એ શું ખોટું ? એટલે બહુ ખેંચેને, એટલે આપણે મૂકી દેવું.

પ્રશ્નકર્તા : પણ બેમાંથી મૂકે કોણ ?

દાદાશ્રી : સમજણવાળો, જેને અક્કલ વધારે હોય તે મૂકે અને ઓછી અક્કલવાળો ખેંચ્યા વગર રહે જ નહીં ! એટલે આપણે અક્કલવાળાએ મૂકી દેવું. મૂકી દેવું તે પાછું એકદમ નહીં છોડી દેવું. એકદમ છોડી દેને તો પડી જાય પેલાં. એટલે ધીમે ધીમે, ધીમે ધીમે મૂકવાનું. એટલે મારી જોડે કોઈ ખેંચ કરેને તો ધીમે ધીમે છોડી દઉં, નહીં તો પડી જાય બિચારો. હવે તમે આ છોડી દેશો આવું ? હવે છોડી દેતા આવડશે ? છોડી દેશોને ? છોડી દો, નહીં તો પછી ગાંઠ વાળીને ચલાવવું પડે દોરડું. રોજ રોજ ગાંઠો વાળવી એ સારું દેખાય ? પાછું ગાંઠ તો વાળવી જ પડેને ? દોરડું તો પાછું ચલાવવું જ પડેને ? તમને કેમ લાગે છે ?

છોડવું પણ સાવધાનીપૂર્વક

પ્રશ્નકર્તા : હા, કરવું જ પડે.

દાદાશ્રી : હં... એટલે છોડી દેવું અને તે પાછા પડી ના જાય એવી રીતે ! પછી એમના મનમાં હિંમત આવશે કે આ આટલી મોટાઈ રાખે છે તો હુંય મોટાઈ રાખું, એવું મન થાય એમને.

પ્રશ્નકર્તા : કોઈ નથી રાખતું, એકેય નમતું આપતા જ નથી.

દાદાશ્રી : એ તો ડાહ્યો હોય તે છોડી દે, નહીં તો એક ફેરો ગાંઠ પડ્યા પછી ગાંઠ નહીં જાય. માટે દોરી ઘરમાં એવી રીતે રાખો કે ગાંઠ પાડવી ના પડે. તૂટે નહીં એવી રાખો. તો એ ના સમજવું જોઈએ ?

પ્રશ્નકર્તા : સમજવું જોઈએ.

દાદાશ્રી : આખું છે, તેને પાછું શું કામ તોડે છે ? તોડ્યા પછી ગાંઠ વાળવી પડે કે ના વાળવી પડે ? ‘પણ એ મને ખબર નહીં કે પછી આ ગાંઠ વાળવી પડશે.’ અલ્યા, તૂટતા પહેલા આપણે છોડી દેવું પડે, નહીં તો ગાંઠ પડી જાય. એટલે ફરી એ દોરડું નકામું ગયુંને. એટલે આ હિસાબ આપણે સમજવો જોઈએ, નહીં તો ગાંઠ તો વાળવી જ પડશે ને ?

ઘરમાં મતભેદ થતો હશે ? એક અંશેય ના થવો જોઈએ. ઘરમાં જો મતભેદ થાય તો યુ આર અનફિટ ફોર... જો હસબન્ડ આવું કરે એ અનફિટ ફોર હસબન્ડ (પતિ થવાને લાયક નથી.) અને વાઈફ આવું કરે તો અનફિટ ફોર વાઈફ (પત્ની થવાને લાયક નથી).

મતભેદનું કારણ

પ્રશ્નકર્તા : મતભેદ કેમ પડે છે, એનું કારણ શું ?

દાદાશ્રી : મતભેદ પડે એટલે પેલો જાણે કે હું અક્કલવાળો અને પેલી જાણે હું અક્કલવાળી ! અક્કલના કોથળા આવ્યા ! વેચવા જઈએ તો ચાર આના આવે નહીં. અક્કલના બારદાન કહેવાય છે એને. એના કરતા આપણે ડાહ્યા થઈ જઈએ, એની અક્કલને આપણે જોયા કરીએ કે ઓહોહો ! કેવી અક્કલવાળી છે ! તો એય ટાઢી પડી જાય પછી. પણ આપણેય અક્કલવાળા અને એય અક્કલવાળી, અક્કલ જ જ્યાં લડવા માંડી ત્યાં શું થાય તે ?

અને અક્કલવાળો મેં જોયો નહીં કોઈ જગ્યાએ. એ અક્કલવાળો કોનું નામ કહેવાય કે જે કોઈ દા’ડો કોઈની નકલ ના કરતો હોય, એનું નામ અક્કલવાળો. આ તો બધા નકલી લોકો. હું જોઈ જોઈને શીખ્યો, કહેશે. આ બેનોને નકલ કરીને કઢી કરતા આવડી, જોઈને શીખી ગયા. આ સાડી કોઈની જોઈને લાવ્યા અને પછી કહેશે, હું અક્કલવાળી !

મતભેદનું નિવારણ

પ્રશ્નકર્તા : ઘરમાં મતભેદ દૂર કરવા શું કરવું ?

દાદાશ્રી : મતભેદ શેના પડે છે એ તપાસ કરવી પહેલી. કોઈ દા’ડો એવો મતભેદ પડે છે કે એક છોકરો ને એક છોડી હોય, તો પછી બે છોકરાં નથી, એનો મતભેદ પડે છે ?

પ્રશ્નકર્તા : ના, આમ તો નાની નાની વાતમાં મતભેદ થાય.

દાદાશ્રી : અરે, આ નાની વાતમાં તો, એ તો ઈગોઈઝમ છે. એટલે એ બોલે ને આમ છે, ત્યારે કહેવું, ‘બરોબર છે.’ એમ કહીએ એટલે પછી કશુંય નહીં પાછું. પણ આપણે ત્યાં આપણી અક્કલ ઊભી કરીએ છીએ. અક્કલે અક્કલ લડે એટલે મતભેદ થાય.

પ્રશ્નકર્તા : ‘એ બરાબર છે’ એવું મોઢેથી બોલવા માટે શું કરવું જોઈએ ? એ બોલાતું નથી, એ અહમ્ કેવી રીતે દૂર કરવો ?

દાદાશ્રી : હવે એ બોલાય નહીં પાછું, ખરું કહે છે. એ થોડા દા’ડા પ્રેક્ટિસ લેવી પડે. આ કહું છુંને, એ ઉપાય કરવા માટે થોડા દા’ડા પ્રેક્ટિસ લો ને ! પછી એ ફિટ થઈ જશે, એકદમ નહીં થાય.

‘માર’નો પછી વાળે બદલો

પ્રશ્નકર્તા : દાદા, મારો મિજાજ છટકી જાય તે પછી મારો હાથ કેટલીક વાર બૈરી પર ઉપડી જાય છે.

દાદાશ્રી : સ્ત્રીને કોઈ દિવસ મરાય નહીં. જ્યાં સુધી તમારા ગાતરો મજબૂત હોય ત્યાં સુધી એ ચૂપ રહે, પછી એ તમારા પર ચઢી બેસે. સ્ત્રીને ને મનને મારવું એ તો સંસારમાં ભટકવાના બે સાધનો છે, આ બેને મરાય નહીં. તેમની પાસે તો સમજાવીને કામ લેવું પડે.

અમારો એક ભાઈબંધ હતો, તે હું જ્યારે જોઉ ત્યારે બૈરીને એક તમાચો આપી દે, એની જરાક ભૂલ દેખાય તો આપી દે. પછી હું એને ખાનગીમાં સમજાવું કે આ તમાચો તે એને આપ્યો પણ એની એ નોંધ રાખશે. તું નોંધ ના રાખું પણ એ તો નોંધ રાખશે જ. અરે, આ તારા નાના નાના છોકરાં, તું તમાચો મારે છે ત્યારે તને ટગર ટગર જોયા કરે છે. તેય નોંધ રાખશે. અને એ પાછા મા ને છોકરાં ભેગાં મળીને આનો બદલો વાળશે. એ ક્યારે બદલો વાળશે ? તારા ગાતર ઢીલાં પડશે ત્યારે. માટે સ્ત્રીને મારવા જેવું નથી. મારવાથી તો ઊલટું આપણને જ નુકસાનરૂપ, અંતરાયરૂપ થઈ પડે છે.

આશ્રિત કોને કહેવાય ? ખીલે બંધી ગાય હોય, તેને મારીએ તો એ ક્યાં જાય ? ઘરના માણસો ખીલે બાંધેલા જેવા છે. તેને મારીએ તો આપણે નંગોડ કહેવાઈએ. એને છોડી દે ને પછી માર, તો તે તને મારશે અથવા તો નાસી જશે. બાંધેલાને મારવું એ શૂરવીરના કામ કેમ કહેવાય ? એ તો બાયલાના કામ કહેવાય !

ઘરના માણસને તો સહેજેય દુઃખ દેવાય જ નહીં. જેનામાં સમજ ના હોય તે ઘરનાને દુઃખ દે.

ના સુધરે સામા, આપણી ઊણપે

પ્રશ્નકર્તા : આપણા કહેવાથી પણ જો એ ના સુધરે, તો આપણે એવું સમજવું કે આપણામાં જ કંઈ ઊણપ છે, જેથી કરીને એ નથી સુધરતો ?

દાદાશ્રી : હા, આપણા જ ગુનાથી નથી સુધરતો. ગુનો આપણો જ હોય પણ એ જડે નહીં. આપણો પોતાનો ગુનો કોઈ દિવસ જડેને તો ભગવાન થાય. પોતાનો ગુનો જેને જડે, મોટો ગુનો, એ ભગવાન થાય.

પ્રશ્નકર્તા : તો એના માટે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : એને પણ એ જડે જ નહીંને ! એ ગુનો તો શી રીતે જડે ? એ તો જ્ઞાની પાસે બધા પાપ ધોઈ નખાવડાવે, ત્યારે એ ગુનો દેખાય ! નહીં તો પારકાંના દોષ બધા દેખાય ઝપાટાબંધ !

સત્તા કેવળ ‘વ્યવસ્થિત’ની

પ્રશ્નકર્તા (બહેન) : ઘણી વખત સ્ત્રીનું સાચું હોય અને પુરુષનું ખોટું હોય છતાં પુરુષ કહે કે ‘ના, મારું જ સાચું.’ અને એમ માને કે સ્ત્રીની બુદ્ધિ તો પગની પાનીએ, એમ કરીને એને ઉડાડી મૂકે, એને ચાલવા જ ના દે, એનું શું ?

દાદાશ્રી : ક્યારે ચાલવા ના દે ?

પ્રશ્નકર્તા : એટલે સ્ત્રીનું સાચું હોય, તોય એને જૂઠું પાડે, એક્સેપ્ટ (સ્વીકાર) ના કરે એને.

દાદાશ્રી : આપણું ચાલવા ના દે તો સારું. જોખમદારી નહીંને કોઈ જાતની ! અને તે ‘વ્યવસ્થિત’ના પ્રમાણે કહે છે ને, એ તો વધારે કંઈ કહેવાનો છે ? ના ચાલવા દે, એમાં વ્યવસ્થિત છે ને ! એ કંઈ ઓછું ગપ્પું છે ?

પ્રશ્નકર્તા : પણ એ સમજણ તે વખતે હોવી જોઈએને ?

દાદાશ્રી : નહીં હોય તો આવશે, માર ખાઈને આવશે. સમજણ તો માર ખાઈનેય આવશે જ ને ! બધું ‘વ્યવસ્થિત’ છે.

આપણે ઠંડા થઈ જવું

પ્રશ્નકર્તા (બહેન) : સ્ત્રીની સાચી સલાહ હોય પણ એ ના લે અને ધણી પોતાનું ધાર્યું કરે, પછી બગડી જાય, ઊંધું થઈ જાય બધું. તો પછી ઘરમાં બધાને ઊંચા-નીચા કરી નાખે, ગુસ્સો કરે ને છોકરાંઓ પર ચિડાય, બૈરી પર ચિડાય, મારે, ભાંગફોડ કરે, થાળીઓ ઉછાળે, શું કરવું એમ ?

દાદાશ્રી : તે ઘડીએ આપણે સમજી જવું કે મૂડ બગડી ગયો છે, ચા-પાણી પાઈ દેવા.

પ્રશ્નકર્તા : બેમાંથી એક ઠંડું ના થાય અને વાળી ન લે, તો ઉકેલ આવે જ નહીં આમાંથી, બરાબર ?

દાદાશ્રી : ઉકેલ જ ન આવે ! નહીં તો ઉકેલ આવે ખરો પણ વેર વધારીને, એ તો મારા લાગમાં આવશે ને ત્યારે... એ તો લાગમાં લેવાનો, તેના કરતા ઉકેલ લાવવો સારો. લાગમાં નહીં લેવાનો.

ઘરમાં એક જણ એવું બોલનારો નીકળે કે ‘તમારામાં તો અક્કલ ઓછી છે.’ તો આપણે એવું જાણવું કે આ આવું જ બોલવાનો છે, એટલે આપણે એડજસ્ટ થઈ જવું. એને બદલે પછી આપણે સામો જવાબ આપીએ તો થાકી જઈએ. કારણ કે એ તો આપણને અથડાયો, પણ આપણે અથડાઈએ તો આપણને પણ આંખો નથી એમ ખાતરી થઈ ગઈને ? હું એ સાયન્સ (વિજ્ઞાન) કહેવા માંગું છું કે પ્રકૃતિનું સાયન્સ જાણો, બાકી આત્મા એ જુદી વસ્તુ છે.

પ્રશ્નકર્તા (બહેન) : આપણે ગમે એટલા શાંત રહીએ, પણ પુરુષો ગુસ્સે થઈ જાય તો આપણે શું કરવું ?

દાદાશ્રી : એ ગુસ્સે થઈ જાય ને વઢંવઢા કરવી હોય તો આપણેય ગુસ્સો કરવો, નહીં તો બંધ કરવું. ફિલ્મ બંધ કરવી હોય તો ઠંડું પડી જવું. ફિલ્મ બંધ ના કરવી હોય તો આખી રાત ચાલવા દેવી, કોણ ના પાડે છે ? ફિલ્મ ગમે છે ખરી ?

પ્રશ્નકર્તા : ના, ફિલ્મ નથી ગમતી.

દાદાશ્રી : ગુસ્સે થઈને શું કરવાનું ? એ માણસ પોતે ગુસ્સે થતો નથી, આ તો મિકેનિકલ એડજસ્ટમેન્ટ ગુસ્સે થાય છે. પોતે ગુસ્સે થતા નથી. પોતાને પછી મનમાં પસ્તાવો થાય કે આ ગુસ્સો ના થયો હોત તો સારો.

પ્રશ્નકર્તા : એને ઠંડા પાડવાનો ઉપાય શું ?

દાદાશ્રી : એ વળી મશીન ગરમ થયું હોય એને ઠંડું પાડવું હોય તો એની મેળે થોડી વાર રહેવા દે, એટલે મશીન ટાઢું પડી જાય અને હાથ અડાડીએ અને ગોદા મારીએ તો દઝાઈ મરીએ આપણે.

ત્યાં મૌન એ જ સાચો ઉપાય

પ્રશ્નકર્તા : હું સાચી વાત કરું છું ત્યારે ઘરમાં મને કોઈ સમજી નથી શકતું અને તેથી પછી એ લોકો ઊંધી રીતે સમજે પાછા.

દાદાશ્રી : તે વખતે આપણે વાતથી વેગળું રહેવું પડે ને મૌન રાખવું પડે. એમાંય પાછો દોષ તો કોઈનો હોતો જ નથી. દોષ તો આપણો જ હોય છે. એવા એવા માણસો હોય છે કે જે પાડોશમાં આપણી જોડે કુટુંબ તરીકે હોયને, તો તે આપણા બોલતા પહેલા આપણી વાત બધા સમજી જાય. પણ એવા આપણને કેમ ભેગા ના થયા અને આ લોકો જ કેમ ભેગા થયા ? આમાં સિલેક્શન (પસંદગી) કોનું ? એટલે બધી જ ચીજ છે આ જગતમાં, પણ આપણને ભેગી નથી થતી એમાં ભૂલ કોની ? એટલે ઘરના ના સમજે તો આપણે ત્યાં મૌન રહેવું, બીજો ઉપાય નથી.

પ્રશ્નકર્તા : પણ દાદા, મારી ફરિયાદ કોણ સાંભળે ?

દાદાશ્રી : તું ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઈ જઈશ. હું તો જે ફરિયાદ કરવા આવે તેને જ ગુનેગાર ગણું. તારે ફરિયાદ કરવાનો વખત જ કેમ આવ્યો ? ફરિયાદી ઘણાખરા ગુનેગાર જ હોય છે. પોતે ગુનેગાર હોય તો ફરિયાદ કરવા આવે. તું ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઈ જઈશ અને સામો આરોપી થશે. એટલે એની દ્રષ્ટિમાં આરોપી તું ઠરીશ, માટે કોઈની વિરુદ્ધ ફરિયાદ ના કરવી.

ગુણાકાર-ભાગાકાર કરી લાવો ઉકેલ

પ્રશ્નકર્તા : તો મારે શું કરવું ?

દાદાશ્રી : ‘એ’ અવળા દેખાય તો કહેવું કે ‘એ તો સારામાં સારા માણસ છે, તું જ ખોટી છે.’ એમ ગુણાકાર થઈ ગયો હોય તો ભાગાકાર કરી નાખવો ને ભાગાકાર થઈ ગયો હોય તો ગુણાકાર કરી નાખવો. આ ગુણાકાર-ભાગાકાર શાથી શીખવે છે ? સંસારમાં નિવેડો લાવવા માટે.

પેલો ભાગાકાર કરતો હોય તો આપણે ગુણાકાર કરવા એટલે રકમ ઊડી જાય. સામા માણસ માટે વિચાર કરવો કે ‘એણે મને આમ કહ્યું, તેમ કહ્યું’, એ જ ગુનો છે. આ રસ્તામાં જતી વખતે ભીંત અથડાય તો તેને કેમ વઢતા નથી ? ઝાડને જડ કેમ કહેવાય ? જે વાગે એ બધા લીલા ઝાડ જ છે ! ગાયનો પગ આપણા ઉપર પડે તો આપણે કંઈ કહીએ છીએ ? એવું આ બધા લોકોનું છે. ‘જ્ઞાની પુરુષ’ બધાને શી રીતે માફી આપે ? એ સમજે કે આ બિચારાં સમજતા નથી, ઝાડ જેવા છે ને સમજણવાળાને તો કહેવું જ ના પડે. એ તો મહીં તરત પ્રતિક્રમણ કરી નાખે.

પોતે સાચા એની ખાતરી શું ?

પ્રશ્નકર્તા (બહેન) : પોતે સાચા હોય અને એમની વાત બરાબર ના હોય તો બોલવું તો પડેને ?

દાદાશ્રી : ‘તું સાચી છે’ એની ખાતરી શું ? તું જ ન્યાયાધીશ અને તું જ વકીલ અને તું જ આરોપી. એટલે ન્યાય, ‘હું સાચી છું’ કરે. પોતે જ વકીલ, પોતે આરોપી અને પોતે જ જજ. પેલો વકીલ કહે છે, ‘બધા કરે છે તે આપણેય આમ જ કરવું પડે.’ વકીલ ઊંધું શીખવાડે. ‘તું સાચી છું’ એવી ખાતરી શું ? અને ‘પતિ સાચો છે’ એની ખાતરી શું ? આ તો પોતાનો ન્યાય એ એક્ઝેક્ટ (બરાબર) ન્યાય હોય છે કે પોતાની સમજણ પ્રમાણે હશે ?

પ્રશ્નકર્તા : પોતાની સમજણ પ્રમાણે, એટલે પછી અથડામણ થાય. એટલે વાત જૂઠી છે એ નક્કી માની લેવું ? દર વખતે જૂઠી ના હોયને ?

દાદાશ્રી : દર વખતે જૂઠું, અથડામણ કેમ થઈ ?

મત ગયે ટળે મતભેદ

પ્રશ્નકર્તા : વિચારો જુદા પડે એટલે.

દાદાશ્રી : વિચારો જુદા કેમ થયા ? અણસમજણ છે. અક્કલ નથી તેથી એમને દૂધ પીવું હોય ને તું કહે, ‘ના, દૂધ ના પીશો. આ દહીં લો.’ આ એમની પ્રકૃતિમાં દૂધ ફાવતું હોય તો એને કહે, ‘લ્યો, દૂધ આપું છું.’ તને પ્રકૃતિમાં દહીં ફાવતું હોય તો દહીં ખા. પ્રકૃતિ જુદી, બધાની વાત જુદી. પણ તું કહે, ‘ના, તમારે દહીં ખાવું પડશે, ફરજિયાત.’ તમને કેમ લાગે છે ? ‘તમે વાળ કપાવશો નહીં, મારા જેવડા લાંબા વાળ રાખો.’ તો ચાલે ? એટલે કયું ખરું ? એમને આપણે એમેય ના કહેવાય કે હું કપાવું છું ને તમે કપાઓ. સૌની રીતે, ન્યાય રીતસરનો હોવો જોઈએ, સમજપૂર્વકનો હોવો જોઈએ.

ઘરમાં મતભેદ ને ભાંજગડ ના થાય, ઓછા થાય એવો રસ્તો ખોળી કાઢો.

આનો ઉપાય આટલો જ છે કે હું મારા મતને જ કાઢી નાખું તો મતભેદ નહીં પડે. મારો મત જ નહીં, તમારા મતે મત.

અથડામણનું કારણ અજ્ઞાનતા

પ્રશ્નકર્તા : જીવનમાં સ્વભાવ નથી મળતા તેથી અથડામણ થાય છે ને ?

દાદાશ્રી : અથડામણ થાય તેનું જ નામ સંસાર છે !

પ્રશ્નકર્તા : અથડામણ થવાનું કારણ શું ?

દાદાશ્રી : અજ્ઞાનતા.

પ્રશ્નકર્તા : એકલું શેઠ જોડે જ અથડામણ થાય એવું નથી, બધા જોડે થાય છે, તેનું શું ?

દાદાશ્રી : હા, બધા જોડેય થાય. અરે, આ ભીંત જોડેય થાય !

પ્રશ્નકર્તા : એનો રસ્તો શું હશે ?

દાદાશ્રી : અમે બતાવીએ છીએ, પછી ભીંત જોડે પણ અથડામણ ના થાય. આ ભીંત જોડે અથડાય તેમાં કોનો દોષ ? જેને વાગ્યું તેનો દોષ, એમાં ભીંતને શું ? ચીકણી માટી આવે ને તમે લપસ્યા એમાં ભૂલ તમારી છે, ચીકણી માટી તો નિમિત્ત છે. તમારે નિમિત્તને સમજીને મહીં આંગળા ખોસી દેવા પડે. ચીકણી માટી તો હોય જ, ને લપસાવવું એ તો એનો સ્વભાવ જ છે.

એડજસ્ટ એવરીવ્હેર

પ્રશ્નકર્તા : પણ કંકાસ ઊભા થવાનું કારણ શું, સ્વભાવ ના મળે તેથી ?

દાદાશ્રી : અજ્ઞાનતા છે તેથી. સંસાર તેનું નામ કે કોઈ-કોઈના સ્વભાવ મળે જ નહીં. આ ‘જ્ઞાન’ મળે તેનો એક જ રસ્તો છે, ‘એડજસ્ટ એવરીવ્હેર’ ! કોઈ તને મારે તોય તારે તેને ‘એડજસ્ટ’ થઈ જવાનું.

મોટામાં મોટું દુઃખ શેનું છે ? ‘ડિસ્એડજસ્ટમેન્ટ’નું, ત્યાં ‘એડજસ્ટ એવરીવ્હેર’ કરે તો શું વાંધો છે ?

પ્રશ્નકર્તા : એમાં તો પુરુષાર્થ જોઈએ.

દાદાશ્રી : કશો પુરુષાર્થ નહીં. મારી આજ્ઞા પાળવાની કે ‘દાદા’એ કહ્યું છે કે ‘એડજસ્ટ એવરીવ્હેર.’ તે એડજસ્ટ થયા કરે. બીબી કહે કે ‘તમે ચોર છો’ તો કહેવું કે ‘યુ આર કરેક્ટ’ (તમે સાચા છો) અને થોડીવાર પછી એ કહે કે ‘ના, તમે ચોરી નથી કરી’ તોય ‘યુ આર કરેક્ટ’ કહીએ.

જે કામ જલદી પતાવવું હોય તેને શું કરવું પડે ? ‘એડજસ્ટ’ થઈને ટૂંકાવી દેવું, નહીં તો લંબાયા કરે કે ના લંબાયા કરે ?

બીબી જોડે લઢે તો રાત્રે ઊંઘ આવે ખરી ? અને સવારે નાસ્તોય સારો ના મળે.

છોકરાઓ શીખે મા-બાપનું જોઈ

પ્રશ્નકર્તા : પતિ-પત્નીના ઝઘડાથી છોકરાં પર શું અસર થાય ?

દાદાશ્રી : ઓહોહો ! બહુ ખરાબ અસર થાય. મનમાં નોંધ કરે આ, નોટેડ ઈટસ્ કન્ટેન્ટસ્ (તે બાબતની નોંધ લીધી). ઘરમાં આવું તોફાન જુએ પછી મનમાં રાખી મેલે. પછી એ મોટો થાય એટલે આપે !

છોકરાં સારા થઈ જાય, સંસ્કાર પડે, એ આપણો રસ્તો. છોકરાંને જે ના ગમતું હોય એ કાર્ય નહીં કરવાનું. છોકરાંને પૂછવું કે ‘અમે બે ઝઘડીએ છીએ તો તમને ગમે ?’ ત્યારે કહે, ‘ના ગમે.’ તો આપણે બંધ કરી દેવું. છોકરાં મા-બાપને સારા દેખેને, તો બહુ સારા થઈ જાય. એને શીખવાડવું ના પડે. સંસ્કાર જોઈને સંસ્કાર શીખી જાય છે. છોકરાં કંઈ પણ આપણે ત્યાં ખરાબ દેખે નહીં એવું વર્તન હોવું જોઈએ. સંસ્કારી છોકરા હોવા જોઈએ.

એટલે જીવન કંઈક તો સુધારો, આપણા છોકરા સુધરે એવું તો કંઈક કરો. નિશ્ચય કરો તો થઈ જશે. તમે નિશ્ચય કરો કે મારે આમ કરવું છે, તો બધું થાય એવું છે.

કાયદો રાખો, ઘરમાં કકળાટ નહીં

ક્લેશ તમારે કરવો હોય તો બહાર જઈને કરી આવવો. ઘરમાં જો કકળાટ કરવો હોય તો તે દહાડે બગીચામાં જઈને ખૂબ લડીને ઘેર આવવું પણ ઘરમાં ‘આપણી રૂમમાં લડવું નહીં’ એવો કાયદો કરવો. કો’ક દહાડો આપણને લડવાનો શોખ થઈ જાય તો બીબીને આપણે કહીએ કે ચાલો, આજે બગીચામાં ખૂબ નાસ્તા-પાણી કરીને ખૂબ વઢવાડ કરીએ. લોકો વચ્ચે પડે એવી વઢવાડ કરવી, પણ ઘરમાં વઢવાડ ના હોય. જ્યાં ક્લેશ થાય ત્યાં ભગવાન ના રહે, ભગવાન જતા રહે. ભગવાને શું કહ્યું ? ભક્તને ત્યાં ક્લેશ ના હોય. પરોક્ષ ભક્તિ કરનારને ‘ભક્ત’ કહ્યા ને પ્રત્યક્ષ ભક્તિ કરનારને ભગવાને ‘જ્ઞાની’ કહ્યા, ત્યાં તો ક્લેશ હોય જ ક્યાંથી ? પણ સમાધિ હોય !

ઘરમાં ચલણ છોડવું તો પડેને ?

ઘરમાં આપણે આપણું ચલણ ના રાખવું. જે માણસ ચલણ રાખે તેને ભટકવું પડે. અમેય હીરાબાને કહી દીધેલું કે અમે નાચલણી નાણું છીએ. અમને ભટકવાનું પોષાય નહીં ને ! નાચલણી નાણું હોય તેને શું કરવાનું ? એને ભગવાનની પાસે બેસી રહેવાનું. ઘરમાં તમારું ચલણ ચલાવવા જાવ તો અથડામણ થાયને ? આપણે તો હવે ‘સમભાવે નિકાલ’ કરવાનો. ઘરમાં ‘વાઈફ’ જોડે ‘ફ્રેન્ડ’ (મિત્ર) તરીકે રહેવાનું. એ તમારા ‘ફ્રેન્ડ’ ને તમે એમના ‘ફ્રેન્ડ’ ! અને અહીં કોઈ નોંધ કરતું નથી કે ચલણ તારું હતું કે એમનું હતું ! મ્યુનિસિપાલિટીમાં નોંધ થતી નથી ને ભગવાનને ત્યાંય નોંધ થતી નથી. આપણે નાસ્તા સાથે કામ છે કે ચલણ સાથે કામ છે ? માટે કયે રસ્તે નાસ્તો સારો મળે એની તપાસ કરો. જો મ્યુનિસિપાલિટીવાળા નોંધ રાખતા હોત કે કોનું ચલણ ઘરમાં છે તો હુંય એડજસ્ટ ના થાત. આ તો કોઈ બાપોય નોંધ કરતું નથી !

આપણા પગ ફાટતા હોય ને બીબી પગ દબાવતી હોય ને તે વખતે કોઈ આવે ને આ જોઈને કહે કે ‘ઓહોહો ! તમારું તો ઘરમાં ચલણ બહુ સરસ છે.’ ત્યારે આપણે કહીએ કે ‘ના, ચલણ એનું જ ચાલે છે.’ અને જો તમે એમ કહ્યું કે ‘હા, અમારું જ ચલણ છે’, તો પેલી પગ દબાવવાનો છોડી દેશે. એના કરતા આપણે કહીએ, ‘ના, એનું જ ચલણ છે.’

પ્રશ્નકર્તા : એને માખણ લગાવ્યું ના કહેવાય ?

દાદાશ્રી : ના, એને સ્ટ્રેઈટ વે (સીધેસીધું) કહેવાય; અને પેલા વાંકાચૂંકા રસ્તા કહેવાય. આ દુષમકાળમાં સુખી થવાનો આ હું કહું છું તે જુદો રસ્તો છે. હું આ કાળ માટે કહું છું. આપણે આપણો નાસ્તો શું કરવા બગાડીએ ? સવારમાં નાસ્તો બગડે, બપોરેય બગડે, આખો દહાડો બગડે !

સમાધાની જ્ઞાનથી ના પડે મતભેદ

અમે જે જ્ઞાન આપીએ છીએને, તે સર્વ સમાધાની જ્ઞાન છે. એટલે ક્યારેય પણ મતભેદ ના પડે. સમાધાન થઈ જવું જ જોઈએ. ગમે તે ટાઈમે, એટ એની સ્ટેજ (ગમે તે દશામાં), કોઈ પણ જગ્યાએ સમાધાન થઈ જવું જ જોઈએ. મારે આ જગતમાં કોઈની જોડે, કોઈ પણ જગ્યાએ મતભેદ પડે જ નહીં. મને ગાળ ભાંડે કે ‘તમે ચોર છો’, તોય મારે મતભેદ ના પડે. કારણ કે એ એની દ્રષ્ટિથી બોલે છે બિચારો. એની કોઈ પણ દ્રષ્ટિ છે. કોઈ ગપ્પું મારી શકે નહીં. ગપ્પું મારવું તેય દ્રષ્ટિ છે. એ એના મનમાં એમ માને છે કે ‘હું ગપ્પું મારું છું.’ પણ એને કોઈ દ્રષ્ટિનો આધાર છે. એટલે અમને એની જોડે મતભેદ ના પડે. મતભેદ પડે એ તો નબળાઈ કહેવાય, વિકનેસ કહેવાય. એ બધી વિકનેસ જવી જોઈએ.

વ્યવહાર સુધારો સમજણપૂર્વક

ઘરના બધા જોડે ‘સમભાવે નિકાલ’ કરજો. ઘરમાં ના ભાવતું થાળીમાં આવ્યું, ત્યાં ‘સમભાવે નિકાલ’ કરજો. કોઈને છંછેડશો નહીં. જે ભાણામાં આવે તે ખાજે. જે સામું આવ્યું તે સંયોગ છે ને ભગવાને કહ્યું છે કે સંયોગને ધક્કો મારીશ તો એ ધક્કો તને વાગશે ! એટલે અમને ના ભાવતી વસ્તુ મૂકી હોય તોય અમે મહીંથી બે ચીજ (કોળિયા) ખાઈ લઈએ. ના ખાઈએ તો બે જણની જોડે ઝઘડા થાય. એક તો જે લાવ્યો હોય, જેણે બનાવ્યું હોય તેની જોડે ભાંજગડ પડે, તરછોડ વાગી જાય, અને બીજું ખાવાની ચીજ જોડે. ખાવાની ચીજ કહે છે કે ‘મેં શો ગુનો કર્યો ? હું તારી પાસે આવી છું ને તું મારું અપમાન શું કામ કરે છે ? તને ઠીક લાગે તેટલું લે, પણ અપમાન ના કરીશ મારું.’ હવે એને આપણે માન ના આપવું જોઈએ ? અમને તો આપી જાય તોય અમે તેને માન આપીએ. કારણ કે એક તો ભેગું થાય નહીં ને ભેગું થાય તો માન આપવું પડે. આ ખાવાની ચીજ આપી ને તેની તમે ખોડ કાઢી તો પહેલું આમાં સુખ ઘટે કે વધે ?

પ્રશ્નકર્તા : ઘટે.

દાદાશ્રી : ઘટે એ વેપાર તો ના કરોને ? જેનાથી સુખ ઘટે એવો વેપાર ન જ કરાયને ? મને તો ઘણા ફેર ના ભાવતું શાક હોય તે ખઈ લઉ ને પાછો કહું કે આજનું શાક બહુ સરસ છે !

પ્રશ્નકર્તા : એ દ્રોહ ના કહેવાય ? ના ભાવતું હોય ને આપણે કહીએ કે ભાવે છે, તો એ ખોટું મનને મનાવવાનું ના થયું ?

દાદાશ્રી : ખોટું મનને મનાવવાનું નહીં. એક તો ‘ભાવે છે’ એવું કહીએ તો આપણા ગળે ઊતરશે. ‘નથી ભાવતું’ કહ્યું એટલે શાકને રીસ ચઢશે, બનાવનારને રીસ ચઢશે અને ઘરના છોકરાં શું સમજશે કે આ ડખાવાળા માણસ કાયમ આવું જ કર્યા કરે છે ! ઘરના છોકરાંઓ આપણી આબરૂ જોઈ જાય.

અમારે ઘરમાંય કોઈ જાણે નહીં કે ‘દાદા’ને આ ભાવતું નથી કે ભાવે છે. આ રસોઈ બનાવવી તે શું બનાવનારના હાથનો ખેલ છે ? એ તો ખાનારના ‘વ્યવસ્થિત’ના હિસાબે ભાણામાં આવે છે, તેમાં ડખો ના કરવો જોઈએ.

અરે, ઘણી ફેરો તો ચામાં ખાંડ ના હોય ને, તોય અમે બોલ્યા નથી. ત્યારે લોક કહે છે કે ‘આવું કરશો ને, તો ઘરમાં બધું બગડી જશે.’ મેં કહ્યું કે ‘તમે કાલે જોજો ને !’ તે પછી બીજે દહાડે કહે કે ‘કાલે ચામાં ખાંડ નહોતી, તે તમે અમને કશું કહ્યું નહીં ?’ મેં કહ્યું કે ‘મારે કહેવાની શી જરૂર ? તમને ખબર પડશે ને ! તમે ના પીતા હોય તો મારે કહેવાની જરૂર પડે. તમે પીવો છો ને, પછી મારે કહેવાની જરૂર શી ?’

તરછોડ પહુંચે ભગવાનને

ઘરના બધાને, પત્નીને, નાની બેબીને, કોઈ પણ જીવને તરછોડ મારીને મોક્ષે ના જવાય. સહેજ પણ તરછોડ વાગે, એ મોક્ષનો માર્ગ ન હોય.

એ તરછોડો કોને મારે છે ? પેલા સામા માણસને નથી મારતો, (એની મહીં રહેલા) ભગવાનને મારે છે. એટલે તમે અહીં જે જે કરો, જે જે ગાળો દેશો, તો એ ભગવાનને જ પહોંચે છે, એ માણસને પહોંચતી નથી. અહીંના બધા જ, સંસારના બધા જ પરિણામ એ ભગવાન સ્વીકારે છે. માટે એ પરિણામ એવા કરજો કે ભગવાન સ્વીકારે, તો ત્યાં આપણું ખરાબ ના દેખાય.

કોઈને સહેજ પણ દુઃખ ના થાય, એ છેલ્લી ‘લાઈટ’ (પ્રકાશ) કહેવાય. વિરોધીને પણ શાંતિ થાય. આપણો વિરોધી હોયને, એ એમ કહે કે ‘ભાઈ, આમને અને મારે મતભેદ છે, પણ એમના તરફ મને ભાવ છે, માન છે’ એવું કહે છેવટે.

ડિસ્એડજસ્ટમેન્ટથી નુકસાન કોને ?

પ્રશ્નકર્તા : હવે તો જીવનમાં શાંતિનો સરળ માર્ગ જોઈએ છે.

દાદાશ્રી : એક જ શબ્દ જો જીવનમાં ઉતારશો, ઉતારશો બરોબર, એક્ઝેક્ટ ?

પ્રશ્નકર્તા : એક્ઝેક્ટ, હા.

દાદાશ્રી : ‘એડજસ્ટ એવરીવ્હેર’ આટલો જ શબ્દ જો તમે જીવનમાં ઉતારી નાખો, બહુ થઈ ગયું. તમારે શાંતિ એની મેળે ઊભી થશે. પહેલું છે તે છ મહિના સુધી અડચણો આવશે, પછી એની મેળે જ શાંતિ થઈ જશે. પહેલા છ મહિના પાછલા રિએક્શન (પડઘા) આવશે, શરૂઆત મોડી કરી તે બદલના. માટે ‘એડજસ્ટ એવરીવ્હેર’ ! આ કળિયુગના આવા ભયંકર કાળમાં તો એડજસ્ટ નહીં થાવને, તો ખલાસ થઈ જશો.

આ તો રિલેટિવ સગાઈઓ છે. આને સુધારવાનું ના હોય. પેલી બાઈનેય મેં કહ્યું, ‘સુધારવા ફરું છું આ ? સુધારવાનો હોય ? જેવો માલ તેવો માલ, આપણે ચલાવી લેવાનો. એડજસ્ટ એવરીવ્હેર.’ પાંચમાં આરામાં એડજસ્ટ એવરીવ્હેર હોય અને ડિસએડજસ્ટ થશો તો માર ખાઈ ખાઈને મરી જશો.

ડોન્ટ સી લૉઝ, પ્લીઝ સેટલ

પ્રશ્નકર્તા : વ્યવહારમાં રહેવાનું તો ‘એડજસ્ટમેન્ટ’ એકપક્ષી તો ના હોવું જોઈએ ને ?

દાદાશ્રી : વ્યવહાર તો એનું નામ કહેવાય કે ‘એડજસ્ટ’ થઈએ એટલે પાડોશીય કહે કે ‘બધા ઘેર ઝઘડા છે, પણ આ ઘેર ઝઘડો નથી.’ એનો વ્યવહાર સારામાં સારો ગણાય. જેની જોડે ના ફાવે ત્યાં જ શક્તિ કેળવવાની છે. ફાવ્યું ત્યાં તો શક્તિ છે જ. ના ફાવે એ તો નબળાઈ છે. મારે બધા જોડે કેમ ફાવે છે ? જેટલા એડજસ્ટમેન્ટ લેશો તેટલી શક્તિઓ વધશે અને અશક્તિઓ તૂટી જશે. સાચી સમજણ તો બીજી બધી સમજણને તાળા વાગશે ત્યારે જ થશે.

‘જ્ઞાની’ તો સામો વાંકો હોય તોય તેની જોડે ‘એડજસ્ટ’ થાય. ‘જ્ઞાની પુરુષ’ને જોઈને ચાલે તો બધી જાતના એડજસ્ટમેન્ટ કરતા આવડી જાય. આની પાછળ સાયન્સ શું કહે છે કે ‘વીતરાગ થઈ જાઓ, રાગદ્વેષ ના કરો.’ આ તો મહીં કંઈક આસક્તિ રહી જાય છે, તેથી માર પડે છે. આ વ્યવહારમાં એકપક્ષી, નિઃસ્પૃહ થઈ ગયા હોય તે વાંકા કહેવાય. આપણને જરૂર હોય તો સામો વાંકો હોય તોય તેને મનાવી લેવો પડે. આ સ્ટેશન પર મજૂર જોઈતો હોય તો એ આનાકાની કરતો હોય તોય તેને ચાર આના ઓછાવત્તા કરીને મનાવી લેવો પડે, અને ના મનાવીએ તો એ બેગ આપણા માથા પર જ નાખેને ?

‘ડોન્ટ સી લૉઝ, પ્લીઝ સેટલ’. (કાયદાઓ ના જુઓ, ઉકેલ લાવો) સામાને ‘સેટલમેન્ટ’ (સમાધાન) લેવા કહેવાનું. ‘તમે આમ કરો, તેમ કરો’ એવું કહેવા માટે ટાઈમ જ ક્યાં હોય ? સામાની સો ભૂલ હોય તોય આપણે તો પોતાની જ ભૂલ કહીને આગળ નીકળી જવાનું. આ કાળમાં ‘લૉ’ (કાયદો) તો જોવાતો હશે ? આ તો છેલ્લે પાટલે આવી ગયેલું છે ! જ્યાં જુઓ ત્યાં દોડાદોડ ને ભાગાભાગ ! લોક ગૂંચાઈ ગયેલાં છે ! ઘેર જાય તો વાઈફ બૂમો પાડે, છોકરાં બૂમો પાડે, નોકરીએ જાય તો શેઠ બૂમો પાડે, ગાડીમાં જાય તો ભીડમાં ધક્કા ખાય ! ક્યાંય નિરાંત નહીં. નિરાંત તો જોઈએ ને ? કોઈ લડી પડે તો આપણે તેની દયા ખાવી કે અહોહો, આને કેટલો બધો અકળાટ હશે તે લડી પડે છે ! અકળાય તે બધા નબળા છે.

સમજો એડજસ્ટમેન્ટના વિજ્ઞાનને

પ્રશ્નકર્તા : ઘણી વખત એમ બને કે એક સમયે બે જણ સાથે ‘એડજસ્ટમેન્ટ’ એક જ વાત પર લેવાનું હોય, તો તે જ વખતે બધે શી રીતે પહોંચી વળાય ?

દાદાશ્રી : બેઉ જોડે લેવાય. અરે, સાત જણ જોડે લેવાનું હોય તોય લઈ શકાય. એક પૂછે, ‘મારું શું કર્યું ?’ ત્યારે કહીએ, ‘હા બા, તારા કહ્યા પ્રમાણે કરીશું.’ બીજાનેય એમ કહીશું, તમે કહેશો તેમ કરીશું. ‘વ્યવસ્થિત’ની બહાર થવાનું નથી. માટે ગમે તે રીતે ઝઘડો ના ઊભો કરશો.

આ તો સારું-ખોટું કહેવાથી ભૂતા પજવે છે. આપણે તો બન્નેને સરખા કરી નાખવાના છે. આને સારું કહ્યું એટલે પેલું ખોટું થયું, એટલે પછી એ પજવે. પણ બન્નેનું મિક્ષ્ચર કરી નાખીએ એટલે પછી અસર ના રહે. ‘એડજસ્ટ એવરીવ્હેર’ની અમે શોધખોળ કરી છે. ખરું કહેતો હોય તેની જોડેય ને ખોટું કહેતો હોય તેની જોડેય ‘એડજસ્ટ’ થા. અમને કોઈ કહે કે ‘તમારામાં અક્કલ નથી.’ તો અમે તેને તરત ‘એડજસ્ટ’ થઈ જઈએ ને તેને કહીએ કે ‘એ તો પહેલેથી જ નહોતી ! હમણાં કંઈ તું ખોળવા આવ્યો છે ? તને તો આજે એની ખબર પડી, પણ હું તો નાનપણથી એ જાણું છું.’ આમ કહીએ એટલે ભાંજગડ મટીને ! ફરી એ આપણી પાસે અક્કલ ખોળવા જ ના આવે. આમ ના કરીએ તો ‘આપણે ઘેર’ (મોક્ષે) ક્યારે પહોંચાય ?

અમે આ સરળ ને સીધો રસ્તો બતાડી દઈએ છીએ અને આ અથડામણ કંઈ રોજ રોજ થાય છે ? એ તો જ્યારે આપણા કર્મના ઉદય હોય ત્યારે થાય, તેટલા પૂરતું આપણે ‘એડજસ્ટ’ થવાનું. ઘરમાં ‘પત્ની’ જોડે ઝઘડો થયો હોય તો ઝઘડો થયા પછી ‘પત્ની’ને હોટલમાં લઈ જઈને, જમાડીને ખુશ કરીએ. હવે તાંતો ના રહેવો જોઈએ.

‘એડજસ્ટમેન્ટ’ને અમે ન્યાય કહીએ છીએ. આગ્રહ-દુરાગ્રહ એ કંઈ ન્યાય ના કહેવાય. કોઈ પણ જાતનો આગ્રહ એ ન્યાય નથી. અમે કશાનો કક્કો ના પકડીએ. જે પાણીએ મગ ચડે એનાથી ચડાવીએ, છેવટે ગટરના પાણીએ પણ ચડાવીએ !

આ ‘એડજસ્ટ એવરીવ્હેર’ નહીં થાય તો ગાંડા થશો બધા. સામાને છંછેડ્યા કરો તેથી જ ગાંડા થાય. આ કૂતરાને એક ફેરો છંછેડીએ, બીજા ફેર, ત્રીજા ફેર છંછેડીએ ત્યાં સુધી એ આપણી આબરૂ રાખે પણ પછી તો બહુ છંછેડ છંછેડ કરીએ તો એય બચકું ભરી લે. એય સમજી જાય કે આ રોજ છંછેડે છે તે નાલાયક છે. આ સમજવા જેવું છે. ભાંજગડ કશી જ કરવાની નહીં; એડજસ્ટ એવરીવ્હેર.

એડજસ્ટમેન્ટનું આ અજાયબ વિજ્ઞાન

પ્રશ્નકર્તા : સામાને સમજાવવા મેં મારો પુરુષાર્થ કર્યો, પછી એ સમજે-ના સમજે એ એનો પુરુષાર્થ ?

દાદાશ્રી : આપણે એને સમજાવીએ, પછી એ ના સમજે તો આપણે એટલું કહેવું કે ‘હે દાદા ભગવાન ! આને સદ્બુદ્ધિ આપજો.’ આટલું કહેવું પડે. કંઈ એને અદ્ધર ના લટકાવાય. આ ગપ્પું નથી. આ ‘દાદા’નું ‘એડજસ્ટમેન્ટ’નું વિજ્ઞાન છે. અજાયબ ‘એડજસ્ટમેન્ટ’ છે આ ! અને જ્યાં ‘એડજસ્ટ’ નહીં થાય, ત્યાં તેનો સ્વાદ તો તમને આવતો જ હશે ને ? આ ‘ડિસ્એડજસ્ટમેન્ટ’ એ જ મૂર્ખાઈ છે. કારણ કે એ જાણે કે મારું ધણીપણું હું છોડું નહીં અને મારું જ ચલણ રહેવું જોઈએ, તો આખી જિંદગી ભૂખે મરશે ને એક દહાડો થાળીમાં ‘પોઈઝન’ (ઝેર) પડશે ! સહેજે ચાલે છે તેને ચાલવા દો ને ! આ તો કળિયુગ છે ! વાતાવરણ જ કેવું છે ! માટે બૈરી કહે છે કે ‘તમે નાલાયક છો’, તો કહેવું કે ‘બહુ સારું.’

એટલે ‘એડજસ્ટ’ થવાનું જગતમાં, કારણ કે દરેક વસ્તુનો ‘એન્ડ’ (અંત) હોય છે. અને વખતે એ લાંબા કાળ સુધી ચાલે તોય તમે તેને ‘હેલ્પ’ (મદદ) નથી કરતા, વધારે નુકસાન કરો છો. તમારી જાતને નુકસાન કરો છો ને સામાનું નુકસાન થાય છે. એને કોણ સુધારી શકે ? જે સુધરેલો હોય તે જ સુધારી શકે. પોતાનું જ ઠેકાણું ના હોય, તે સામાને શી રીતે સુધારી શકે ?

એડજસ્ટ કેવી રીતે થવું ?

પ્રશ્નકર્તા : એડજસ્ટ કેવી રીતે થવું, એ જરા સમજાવો.

દાદાશ્રી : આપણે કોઈક કારણસર મોડું થઈ ગયું અને વાઈફ ઊંધું, અવળું-સવળું બોલવા માંડી, ‘આટલા મોડા આવો છો, મને નહીં ફાવે ને આ બધું આમ ને તેમ...’ એનું મગજ ખસી ગયું, તો આપણે કહીએ કે ‘હા, તારી વાત ખરી છે, તું કહેતી હોય તો પાછો જઉ, તું કહેતી હોય તો મહીં બેસું.’ ત્યારે કહે, ‘ના, પાછા ના જશો, અહીં સૂઈ જાવ છાનામાના.’ પણ પછી કહીએ, ‘તું કહું તો ખાઉ, નહીં તો સૂઈ જાઉ.’ ત્યારે કહે, ‘ના, ખઈ લો.’ એટલે આપણે એને વશ થઈને ખઈ લેવું. એટલે એડજસ્ટ થઈ ગયા. એટલે સવારમાં ચા ફર્સ્ટ ક્લાસ આપે અને જો ડફળાવીએ ઉપરથી, તો ચાનો કપ છણકો મારીને આપે, તે ત્રણ દા’ડા સુધી ચાલ્યા જ કરે.

પ્રેમ ત્યાં એડજસ્ટમેન્ટ હોય જ

જો તમને પ્રેમ છે તો એડજસ્ટમેન્ટ હોય જ. પ્રેમથી બધું બોલાય. જે પ્રેમવાળા માણસ છે ને, તે બધું બોલી શકે. એટલે અમે શું કહેવા માંગીએ છીએ ? પ્રેમ સ્વરૂપ થાવ તો આ જગત તમારું જ છે. જ્યાં વેર હોય ત્યાં વેરમાંથી ધીમે ધીમે પ્રેમ સ્વરૂપ કરી નાખો. વેરથી આ જગત આવું બધું ‘રફ’ દેખાય છે. જુઓને, (આ) પ્રેમ સ્વરૂપ, કોઈને જરાય ખોટું લાગતું નથી ને કેવો આનંદ બધા કરે છે !

પ્રશ્નકર્તા : એમાં અહંકાર આડો આવે છે ?

દાદાશ્રી : હા, એ જ ને ! અહંકારની જ બધી ભાંજગડ છે ને ! મતભેદથી તો ઉકેલ ના આવે. મતભેદ પસંદ નથી છતાં મતભેદ પડી જાય છે ને ? સામો વધારે ખેંચાખેંચ કરે તો આપણે છોડી દઈએ ને ઓઢીને સૂઈ જવું. જો છોડીએ નહીં ને બેઉ ખેંચ્યા રાખે તો બેઉને ઊંઘ ના આવે ને આખી રાત બગડે. વ્યવહારમાં, વેપારમાં, ભાગીદારીમાં કેવું સાચવીએ છીએ ! તો આ સંસારની ભાગીદારીમાં આપણે ના સાચવી લેવાય ?

પોઝિટિવ રસ્તો પુરુષાર્થનો

પ્રશ્નકર્તા (બહેન) : તમે તો એમને પુરુષોને બતાડ્યું કે તમારે (ઉદાર) નોબલ થઈને કહેવું કે ભઈ, આ મારી ભૂલ છે. ફરી અડધા કલાક પછી પૂછે તોય પાછું એવું કહેવું. એ લોકોને કેવો સરસ રસ્તો બતાડ્યો ! અમને બહેનોને પણ બતાવોને, પુરુષાર્થ કરીએ એવો ? અમને તાંતો જ ના રહે એવો રસ્તો બતાડોને !

દાદાશ્રી : આપણે છે તે પછી કહી દેવાનું કે... સરસ છે. તમે તો મહાન પુરુષ છો, કે બધું આ તમે એક્સેપ્ટ (સ્વીકાર) કરો છો. અમારાથી એક્સેપ્ટ ના થાય. એટલે થઈ ગયું, ધોવાઈ ગયું. અને તમે તો મહાન પુરુષ છો, તમને મારે ચા પાવી જોઈએ. ચા-બા કરી આપવી. એની મહાનતા દેખાડવી જોઈએ.

ચોખ્ખું તો કરવું જ પડશે

પ્રશ્નકર્તા : દાદા, આ બેન કહે છે કે તો પછી હવે અમારે પુરુષોને કંઈ પણ ટકોર કરવાની કે કશું કહેવાનું નહીં. અમારે એવો પુરુષાર્થ કરવાનોને ?

દાદાશ્રી : કહેજોને ! એના સિવાય નિકાલ શી રીતે થાય ?

પ્રશ્નકર્તા : બેન એમ કહે છે કે પુરુષ તો એની નોબિલિટી બતાવી અને છૂટી ગયો, પણ એમાં હવે સ્ત્રી આવી ટકટક કરે, કચકચ કરે, તો એ કેટલા કર્મ, દોષ બાંધે ?

દાદાશ્રી : કશું દોષ બાંધે નહીં. એને ફરી પાછી આ ચોપડી ઉથામવી પડશે. જે કેસ ચોખ્ખો ના કર્યો હોય, ફરી ચોખ્ખું કરવું પડેને !

પ્રશ્નકર્તા : એને કરવું નથી છતાં એના સ્વભાવને લીધે કરે છે સ્ત્રી, તોય એને પાછું ઉથામવું પડવાનું ?

દાદાશ્રી : ઉથામવું એટલે એ ચોખ્ખું તો કરવું જ પડશે ને ?

પ્રશ્નકર્તા : જે સ્ત્રી લેટ ગો (જતું) ના કરે, એણે પાછું ફરી આ ધોવું પડશે જ ગમે ત્યારે ?

દાદાશ્રી : છૂટકો જ નહીંને ! આ તો ન્યાય છે. ન્યાય રાજાનેય છોડે નહીં ને રાણીનેય છોડે નહીં, ન્યાયાધીશનેય છોડે નહીં ને ગુનેગારનેય છોડે નહીં, કોઈને છોડે નહીં.

પ્રશ્નકર્તા : આપણાથી ધણીને ટોકઈ જવાય કે પછી આપણે એને ટોકવાનું રોકી શકીશું ?

દાદાશ્રી : રોકી શકાય તો સારું, પણ રોકાય નહીંને ! આપણી ભાવના હોવી જોઈએ કે રોકાય એટલું સારું.

સંભાળો ડિપાર્ટમેન્ટ પોતપોતાના

પુરુષે સ્ત્રીની બાબતમાં હાથ ના ઘાલવો ને સ્ત્રીએ પુરુષની બાબતમાં હાથ ના ઘાલવો. દરેકે પોતપોતાના ડિપાર્ટમેન્ટમાં જ રહેવું.

પ્રશ્નકર્તા : સ્ત્રીનું ડિપાર્ટમેન્ટ કયું ? શેમાં શેમાં પુરુષોએ હાથ ના ઘાલવો ?

દાદાશ્રી : એવું છે, ખાવાનું શું કરવું, ઘર કેમ ચલાવવું, તે બધું સ્ત્રીનું ડિપાર્ટમેન્ટ છે. ઘઉં ક્યાંથી લાવે છે, ક્યાંથી નથી લાવતી તે આપણે જાણવાની શી જરૂર ? એ જો આપણને કહેતા હોય કે ‘ઘઉં લાવવામાં અડચણ પડે છે’ તો એ વાત જુદી છે. પણ આપણને એ કહેતા ના હોય, રેશન બતાવતા ના હોય, તો આપણે એ ‘ડિપાર્ટમેન્ટ’માં હાથ ઘાલવાની જરૂર જ શી ? આજે દૂધપાક કરજો, આજે જલેબી કરજો એય આપણે કહેવાની જરૂર શી ? ટાઈમ આવશે ત્યારે એ મૂકશે. એમનું ‘ડિપાર્ટમેન્ટ’ એ એમનું સ્વતંત્ર ! વખતે બહુ ઈચ્છા થઈ હોય તો કહેવું કે ‘આજે લાડુ બનાવજે.’ (હું) કહેવા માટે ના નથી કહેતો, પણ બીજી આડી-અવળી, અમથી અમથી બૂમાબૂમ કરે કે કઢી ખારી થઈ, ખારી થઈ, તે બધું ગમ વગરનું છે.

આ રેલવેલાઈન ચાલે છે, તેમાં કેટલી બધી કામગીરીઓ હોય છે ! કેટલી જગ્યાએથી નોંધ આવે, ખબરો આવે, તે એનું ‘ડિપાર્ટમેન્ટ’ જ આખું જુદું. હવે તેમાંય ખામી તો આવે જ ને ? તેમ ‘વાઈફ’ના ડિપાર્ટમેન્ટમાં કો’ક ફેરો ખામી પણ આવે. હવે આપણે જો એમની ખામી કાઢવા જઈએ તો પછી એ આપણી ખામી કાઢશે. તમે આમ નથી કરતા, તેમ નથી કરતા. આમ કાગળ આવ્યો ને તેમ કર્યું તમે. એટલે એ વેર વાળે. હું તમારી ખોડ કાઢું તો તમે પણ મારી ખોડ કાઢવા તલપી રહ્યા હોય ! એટલે ખરો માણસ તો ઘરની બાબતમાં હાથ જ ના ઘાલે. એને પુરુષ કહેવાય, નહીં તો સ્ત્રી જેવો હોય. કેટલાક માણસો તો ઘરમાં જઈને મરચાંના ડબ્બામાં જુએ કે આ બે મહિના પર મરચાં લાવ્યાં હતા, તે એટલી વારમાં થઈ રહ્યાં ? અલ્યા, મરચાં જુએ છે તે ક્યારે પાર આવે ? એ જેનું ‘ડિપાર્ટમેન્ટ’ હોય, તેને ચિંતા ના હોય ? કારણ કે વસ્તુ તો વપરાયા કરે ને લેવાયાય કરે. પણ આ વગર કામનો દોઢડાહ્યો થવા જાય ! પછી બઈએય જાણે કે ભઈની પાવલી પડી ગયેલી છે. માલ કેવો છે તે બેન સમજી જાય. ઘોડી સમજી જાય કે ઉપર બેસનાર કેવો છે, તેમ સ્ત્રી પણ બધું સમજી જાય. એના કરતા ‘ભાભો ભારમાં તો વહુ લાજમાં.’ ભાભો ભારમાં ના રહે તો વહુ શી રીતે લાજમાં રહે ? નિયમ અને મર્યાદાથી જ વ્યવહાર શોભશે. મર્યાદા ના ઓળંગશો ને નિર્મળ રહેજો.

ડખલ ના કરવી એકબીજાના ખાતામાં

પ્રશ્નકર્તા (બહેન) : સ્ત્રીએ પુરુષની કઈ બાબતમાં હાથ ના ઘાલવો ?

દાદાશ્રી : પુરુષની કોઈ બાબતમાં ડખો જ ના કરવો. દુકાનમાં કેટલો માલ આવ્યો ? કેટલો ગયો ? આજે મોડા કેમ આવ્યા ? પેલાને પછી કહેવું પડે કે ‘આજે નવની ગાડી ચૂકી ગયો.’ ત્યારે બેન કહેશે કે ‘એવા કેવા ફરો છો કે ગાડી ચૂકી જવાય ?’ એટલે પછી પેલા ચિઢાઈ જાય. પેલાને મનમાં એમ થાય કે આવું ભગવાન પણ પૂછનાર હોત તો તેનો ઊધડો લેત. પણ અહીં આગળ શું કરે હવે ? એટલે વગર કામના ડખો કરે છે. બાસમતીના ચોખા સરસ રાંધે ને પછી મહીં કાંકરા નાખીને ખાય, એમાં શું સ્વાદ આવે ? સ્ત્રી-પુરુષે એકમેકને હેલ્પ કરવી જોઈએ. ધણીને ચિંતા-વરિઝ રહેતી હોય, તે તેને કેમ કરીને ના થાય એવું સ્ત્રી બોલતી હોય. તેમ ધણી પણ બૈરી મુશ્કેલીમાં ના મૂકાય એવું જોતો હોય. ધણીએ પણ સમજવું જોઈએ કે સ્ત્રીને છોકરાં ઘેર કેટલા હેરાન કરતા હશે ! ઘરમાં તૂટે-ફૂટે તો પુરુષે બૂમ ના પાડવી જોઈએ. પણ તેય લોક (ધણી) બૂમ પાડે કે ગયે વખતે સરસમાં સરસ ડઝન કપ-રકાબી લાવ્યો હતો, તે તમે એ બધાય કેમ ફોડી નાખ્યા ? બધું ખલાસ કરી નાખ્યું ! એટલે પેલી બેનને મનમાં લાગે કે મેં તોડી નાખ્યા ? મારે કંઈ એને ખઈ જવા હતા ? તૂટી ગયા તે તૂટી ગયા, તેમાં હું શું કરું ? મી કાય કરું ? કહેશે. હવે ત્યાંય વઢવાડો. જ્યાં કશી લેવાય નહીં ને દેવાય નહીં. જ્યાં વઢવાનું કોઈ કારણ જ નથી ત્યાંય લઢવાનું ?

અમારે ને હીરાબાને કશો મતભેદ જ નથી પડતો. અમારે એમનામાં હાથ જ નહીં ઘાલવાનો કોઈ દહાડોય. એમના હાથે પૈસા પડી ગયા, અમે દીઠા હોય તોય અમે એમ ના કહીએ કે ‘તમારા પૈસા પડી ગયા.’ તે જોયું કે ના જોયું ? ઘરની કોઈ બાબતમાંય અમારે હાથ ઘાલવાનો નહીં. એ પણ અમારામાં હાથ ના ઘાલે. અમે કેટલા વાગે ઊઠીએ, કેટલા વાગે નહાઈએ, ક્યારે આવીએ, ક્યારે જઈએ, એવી અમારી કોઈ બાબતમાં ક્યારે પણ એ અમને ના પૂછે. અને કો’ક દહાડો અમને કહે કે ‘આજે વહેલા નાહી લો.’ તો અમે તરત ધોતિયું મંગાવીને નાહી લઈએ. અરે, અમારી જાતે ટુવાલ લઈને નાહી લઈએ. કારણ કે અમે જાણીએ કે આ ‘લાલ વાવટો’ ધરે છે. માટે કંઈક ભો હશે ! પાણી ના આવવાનું હોય કે એવું કંઈક હોય તો જ એ અમને વહેલા નાહી લેવાનું કહે, એટલે અમે સમજી જઈએ. એટલે થોડું થોડું વ્યવહારમાં તમેય સમજી લો ને, કે કોઈ કોઈનામાં હાથ ઘાલવા જેવું નથી.

ફોજદાર પકડીને આપણને લઈ જાય પછી એ જેમ કહે તેમ આપણે ના કરીએ ? જ્યાં બેસાડે ત્યાં આપણે ના બેસીએ ? આપણે જાણીએ કે અહીં છીએ ત્યાં સુધી આ ભાંજગડમાં છીએ એવું આ સંસારેય ફોજદારી જ છે. એટલે એમાંય સરળ થઈ જવું.

રહો ઘરમાં ગેસ્ટ બની

ઘેર જમવાની થાળી આવે છે કે નથી આવતી ?

પ્રશ્નકર્તા : આવે છે.

દાદાશ્રી : રસોઈ જોઈએ તે મળે, ખાટલો પાથરી આપે, પછી શું ? અને ખાટલો ના પાથરી આપે તો તેય આપણે પાથરી લઈએ ને ઉકેલ લાવીએ. શાંતિથી વાત સમજાવવી પડે. તમારા સંસારના હિતાહિતની વાત કંઈ ‘ગીતા’માં લખેલી હોય ? એ તો જાતે સમજવી પડશે ને ?

‘હસબંડ’ એટલે ‘વાઈફ’નીય ‘વાઈફ’ (પતિ એટલે પત્નીની પત્ની) ! આ તો લોક ધણી થઈ બેસે છે ! અલ્યા, ‘વાઈફ’ કંઈ ધણી થઈ બેસવાની છે ? આપણા ઘરમાં મોટો અવાજ ના થવો જોઈએ. આ કંઈ ‘લાઉડ સ્પીકર’ છે ? આ તો અહીં બૂમો પાડે તે પોળના નાકા સુધી સંભળાય ! ઘરમાં, ‘ગેસ્ટ’ (મહેમાન) તરીકે રહો. અમેય ઘરમાં ‘ગેસ્ટ’ તરીકે રહીએ છીએ. કુદરતના ‘ગેસ્ટ’ તરીકે તમને જો સુખ ના આવે તો પછી સાસરીમાં શું સુખ આવવાનું છે ?

પ્રતિક્રમણ કરી ચોખ્ખું કરો

પ્રશ્નકર્તા : હસબન્ડ એન્ડ વાઈફ બે પ્રકૃતિ હોય તો જેને ટોક ટોક કરવાની ટેવ પડી ગઈ છે, તો એ વખતે જેણે દાદાનું જ્ઞાન લીધેલું છે, તો એને ખબર છે કે આ ખોટે રસ્તે ગાડી ચાલી રહી છે, આ વળી જ જવી જોઈએ, પણ અંદર એટલું બધું આવરણ ગાઢ હોય છે. એ સમજે છે કે તું આ ભૂલ કરે છે, છતાં એ કરે જ છે. એ આવરણ કેવું અને કર્મ પણ કેવા ? તો એનો કોઈ રોકાય ખરો, એ વખતે ઈન્સ્ટન્ટ (તરત) એની પાસે કોઈ એવી ચાવી ખરી કે.. ?

દાદાશ્રી : એ ‘વ્યવસ્થિત’ ફરે નહીં. ફોટો પડી ગયેલો છે. ફોટો અવળો થઈ ગયેલો છે. અત્યારે આપણને જરૂર એમ લાગે કે આ ફોટો પાડવાની જરૂર નથી પણ અલ્યા, પડી ગયેલાને, તેથી એવું થઈ જાય !

પ્રશ્નકર્તા : પણ એ વખતે જે ઈમોશનલ (ભાવુક) થાય, એ બધું બગાડી કાઢે. દાદાનું જ્ઞાન પણ બધું ખોરવી કાઢે, એટલું પાંચ-દસ મિનિટ માટે કે એક કલાક માટે કે અડધા દિવસ માટે. તો એ કેવા કર્મ પછી બાંધે ?

દાદાશ્રી : ત્યાં બધું ‘વ્યવસ્થિત’ છે. ફોટો પડી ગયેલો છે, પછી શું ? આપણી ઈચ્છા વિરુદ્ધ.

પ્રશ્નકર્તા : એ અટકણ કહેવાય ?

દાદાશ્રી : ના. પેલા ફોટા લેતી વખતે કાળજી નહોતી રાખી તે. અત્યારે તો આ જ્ઞાનને લીધે કાળજી છે, બાકી અત્યારેય નાકાળજી હોય.

પ્રશ્નકર્તા : એટલે પછી એના પ્રતિક્રમણ કરીને ધોઈ કાઢવાનું ?

દાદાશ્રી : બસ, બીજું કશું નહીં.

પ્રશ્નકર્તા : પણ ત્યારે દાદા, જરા બહુ દુઃખ લાગે, કે અરરર... કેટલું બધું બગાડી કાઢ્યું !

દાદાશ્રી : ના, ના, કશું બગાડી નથી કાઢ્યું.

પ્રશ્નકર્તા : ત્યારે અમે કર્મ બાંધીએ છીએ ? એ કરતી વખતે લોકો કર્મ બાંધે છે ? આજે આ બધું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે એમાં ?

દાદાશ્રી : ના, એમાં તો એને કર્મ કશું ના બંધાય. એ ક્લિયરન્સ (ચોખ્ખું) ના થયું હોય તો ફરી ક્લિયરન્સ કરવું પડે. ક્લિયરન્સ તો આપણે કરવું જ પડશે.

પ્રશ્નકર્તા : આ જે ફોટો પહેલા પડી ગયેલો છે, એનો આધાર લઈ અને ભવિષ્યની જિંદગીમાં પણ આખો દિવસ એમ જ કર્યા કરે, કે ફોટો પડી ગયો છે. એટલે પાછી બીજી ગાળ દીધે જ જાવ, ઝઘડા કરે જ જાવ...

દાદાશ્રી : ના, એ તો જે કરે તેને કહી દેવાનું કે ‘ભઈ, કેમ આવું કર્યું ? પ્રતિક્રમણ કરો હવે.’ પ્રતિક્રમણ કરો એટલે આપણે છૂટા થઈ ગયા. હવે એ પ્રતિક્રમણ કરે તો છૂટા થાય, નહીં તો ફરી એને ફાઈલ ઉકેલવી પડે.

જગત બિલકુલ ક્લિયર છે. આપણને ક્લિયર રહેતા નથી આવડતું એને શું થાય ? જગત શું કરે તે ?

સામો ફાડે, આપણે સાંધવું

પ્રશ્નકર્તા : ક્યારેક તો મન દુઃખી થઈ જાય કે એમણેય જ્ઞાન લીધું છે, આપણેય જ્ઞાન લીધું છે, તો આવું કેમ થાય છે ?

દાદાશ્રી : આ તો બધા કર્મના ઉદયો છે. એમાં આપણે પ્રતિક્રમણ કરવું. આ તો ધક્કો લાગ્યા વગર રહે નહીં. એમની ઈચ્છા એવી ના હોય, છતાંય બધા કર્મના ધક્કા વાગ્યા કરે. કર્મ તો ભોગવ્યે જ છૂટકોને !

પ્રશ્નકર્તા : મને એમ થાય કે ‘એમનું’ સારું કરું પણ મારાથી બગડી જ જાય અને હું ખોટી ઠરીને ઊભી રહું.

દાદાશ્રી : એનો વાંધો શું છે ? બન્યું એ કરેક્ટ. જેને સારું કરવું છે, એને કોઈ ડર રાખવાની જરૂર નથી. જેને ખરાબ કરવું છે, એ ગમે એટલો ડર રાખે તો એનો ભલીવાર આવવાનો નથી. એટલે આપણે સારું કરવું છે એમ નક્કી રાખવાનું.

પ્રશ્નકર્તા : પહેલા મને બહુ ડર લાગતો હતો, હવે ડર નથી લાગતો.

દાદાશ્રી : પણ આવી વાતોય કરવાની જરૂર નહીં. આપણે પ્રતિક્રમણ કરવું.

આ બધા રિલેટિવ સંબંધો છે, રિયલ સંબંધ નથી. પ્રતિક્રમણ ના થાય તો ફાટી જાય. પ્રતિક્રમણનો અર્થ શું ? સાંધવું. સામો માણસ ફાડે ને આપણે સાંધીએ તો એ લૂગડું ટકે. પણ સામો ફાડે ને આપણે ફાડીએ તો શું રહે ?

ફાઈલ નહીં, જાગૃતિની કચાશ નડે

પ્રશ્નકર્તા : દાદાજી, આ જ્ઞાન આપે આપ્યું, હવે ન બોલવાની કળા અને બધામાં આપણે શુદ્ધાત્મા જોઈએ અને અંદર એને નમસ્કાર કરીએ, એટલે ચીકણી ફાઈલનો નિકાલ થઈ જાયને ?

દાદાશ્રી : ફાઈલ એટલે વિચાર આવ્યા વગર રહે નહીં, બોલ્યા વગર રહેવાય નહીં. ના બોલવાની કળા ત્યાં ચાલે નહીં.

પ્રશ્નકર્તા : પણ એની રીત તો હશેને, દાદાજી ?

દાદાશ્રી : એ તો આપણે નિયમ રાખવાનો કે વખતે આપણે બોલવું નથી. છતાં બોલાઈ જવાય એ ફાઈલની નિશાની. જેટલી ફાઈલ ચીકણી હોય એટલું બોલાય. નહીં તો આપણા ધાર્યા પ્રમાણે ના બોલવું હોય તો નાય બોલાય. એ ફાઈલ જે ચીકણી છે તેની સાથે ના બોલવું હોય તોય બોલાઈ જવાય. પણ આ નથી બોલવું એવું નક્કી રાખવું જોઈએ. એને માટે આપણે નથી બોલવું, નથી વિચારવું કે નથી વર્તવું, એ આપણા મનમાં નક્કી રાખી અને પછી એ ફાઈલનો નિકાલ કરવો. આ ફાઈલો ગણાય. ‘ફાઈલ મારે આમ નડે છે’ એવું બોલાય નહીં. ફાઈલ તો એની મેળે નિકાલ થઈ જ જાય. નડે છે શું ? જાગૃતિ કાચી રહી એ નડે. ફાઈલ તો નિકાલ થઈ જાય, જે ફાઈલ આવી એ છ મહિને-બાર મહિને પણ નિકાલ થઈ જાય. એને ધ્યાનમાં લેવાની નહીં બહુ. નિકાલ કરવો છે એવું નક્કી રાખવું, તો જ્યારે એ ભેગી થાય ત્યારે નિકાલ કરવો છે એ નિશ્ચય હાજર રહે.

આ જ્ઞાનનું બળ કેવું ?

ફાઈલ એટલે તૃતિયમ બોલે. એવું તૃતિયમ બોલે એટલે આપણું માથું દુઃખે, માથાનો દુખાવો ઊભો થઈ જાય. હવે એ શાથી બોલે છે ? ત્યારે કહે, એ જ ફાઈલ છે, ચીકણી ફાઈલ. પછી મનમાં સમજે કે આ જ્ઞાન મળ્યું એટલે આ ન થવું જોઈએ. નહીં તો ચોંટે જ કે ‘હું ખરી છું’, એવું જાણેને ! આ તો ‘હું ખોટી છું’ એવું તરત સમજ પડે. તને કલાક પછી સમજણ પડે ને કે આ ભૂલ થઈ !

પ્રશ્નકર્તા : તરત ખબર પડે.

દાદાશ્રી : તરત ! લે, ત્યારે આ જ્ઞાનનું બળ કેવું છે ! આ જ્ઞાનેય કેટલું અસર કરે !

હિસાબ ચૂકવવાના સાધનો છે અહીં

જગત આખું બધું હિસાબ જ છે અને હિસાબ ચૂકવવા માટે આપણે ત્યાં આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન છે. બીજી જગ્યાએ એની પાસે હિસાબ ચૂકવવાનું કંઈ સાધન નથી. આપણે અહીં સાધન છે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન. તમે થોડું ઘણું ચૂકવો છો હવે ? હિસાબ જ ચૂકવવાના છે ને ? બીજું શું કરવાનું છે ?

કોઈના હાથમાં પજવવાનીયે સત્તા નથી ને કોઈના હાથમાં સહન કરવાનીયે સત્તા નથી. આ તો બધા પૂતળાં જ છે. તે બધું કામ કરી રહ્યા છે. તે આપણે પ્રતિક્રમણ કરીએ એટલે પૂતળા એની મેળે સીધાં થઈ જાય.

નિકાલી વ્યવહારનો ઝટપટ ઉકેલ લાવી દો

પહેલો આ વ્યવહાર શીખવાનો છે. વ્યવહારની સમજણ વગર તો લોકો જાતજાતના માર ખાય છે.

પ્રશ્નકર્તા : અધ્યાત્મમાં તો આપની વાત માટે કંઈ કહેવાનું જ નથી, પણ વ્યવહારમાંય આપની વાત ‘ટોપ’(ઊંચી)ની વાત છે.

દાદાશ્રી : એવું છે ને, કે વ્યવહારમાં ‘ટોપ’નું સમજ્યા સિવાય કોઈ મોક્ષે ગયેલો નહીં. ગમે તેટલું બાર લાખનું આત્મજ્ઞાન હોય પણ વ્યવહાર સમજ્યા સિવાય કોઈ મોક્ષે ગયેલો નહીં. કારણ કે વ્યવહાર છોડનાર છે ને ? એ ના છોડે તો તમે શું કરો ? તમે ‘શુદ્ધાત્મા’ છો જ પણ વ્યવહાર છોડે તો ને ? તમે વ્યવહારને ગૂંચવ-ગૂંચવ કરો છો. ઝટપટ ઉકેલ લાવોને !

આ ભાઈને કહ્યું હોય કે ‘જા, દુકાનેથી આઈસ્ક્રીમ લઈ આવ.’ પણ એ અડધેથી પાછો આવે. આપણે પૂછીએ, ‘કેમ ?’ તો એ કહે કે ‘રસ્તામાં ગધેડું મળ્યું તેથી ! અપશુકન થયા !’ હવે આને આવુ ઊંધું જ્ઞાન થયું છે, તે આપણે કાઢી નાખવું જોઈએ ને ? એને સમજાવવું જોઈએ કે ભઈ, ગધેડામાં ભગવાન રહેલા છે, માટે અપશુકન કશા હોતા નથી. તું ગધેડાનો તિરસ્કાર કરીશ તો તે તેમાં રહેલા ભગવાનને પહોંચે છે, તેથી તને ભયંકર દોષ બેસે છે. ફરી આવું ના થાય. એવી રીતે આ ઊંધું જ્ઞાન થયું છે, તેના આધારે ‘એડજસ્ટ’ નથી થઈ શકતા.

શુદ્ધ વ્યવહાર મોક્ષગામી

ક્રમિક માર્ગ એટલે શુદ્ધ વ્યવહારવાળા થઈ શુદ્ધાત્મા થાઓ અને અક્રમ માર્ગ એટલે પહેલા શુદ્ધાત્મા થઈને પછી શુદ્ધ વ્યવહાર કરો. શુદ્ધ વ્યવહારમાં વ્યવહાર બધોય હોય, પણ તેમાં વીતરાગતા હોય. એક-બે અવતારમાં મોક્ષે જવાના હોય, ત્યાંથી શુદ્ધ વ્યવહારની શરૂઆત થાય.

શુદ્ધ વ્યવહાર સ્પર્શે નહીં, એનું નામ ‘નિશ્ચય.’ વ્યવહાર એવી રીતે પૂરો કરવાનો કે નિશ્ચયને સ્પર્શે નહીં, પછી વ્યવહાર ગમે તે પ્રકારનો હોય.

ચોખ્ખો વ્યવહાર ને શુદ્ધ વ્યવહારમાં ફેર છે. વ્યવહાર ચોખ્ખો રાખે તે માનવધર્મ કહેવાય અને શુદ્ધ વ્યવહાર તો મોક્ષે લઈ જાય. બહાર કે ઘરમાં વઢવાડ ના કરે, તે ચોખ્ખો વ્યવહાર કહેવાય અને આદર્શ વ્યવહાર કોને કહેવાય ? પોતાની સુગંધી ફેલાવે તે.

નાટક ભજવી કાઢી લો આપણું કામ

આમાં સંસારમાં સુખ નથી એ સમજવું તો પડશે ને ? ભાઈઓ અપમાન કરે, બઈસાહેબ પણ અપમાન કરે, છોકરાં અપમાન કરે ! આ તો બધો નાટકીય વ્યવહાર છે, બાકી આમાંથી ઓછા કોઈ સાથે આવવાના છે ?

તમે પોતે શુદ્ધાત્મા ને આ બધા વ્યવહારો ઉપરછલ્લા એટલે કે ‘સુપરફલુઅસ’ કરવાના છે. પોતે ‘હોમ ડિપાર્ટમેન્ટ’(સ્વ)માં રહેવું અને ‘ફોરેન’(પર)માં ‘સુપરફલુઅસ’ રહેવું. ‘સુપરફલુઅસ’ એટલે તન્મયાકાર વૃત્તિ નહીં તે, ‘ડ્રામેટિક’ (નાટકીય) તે. ખાલી આ ‘ડ્રામા’ (નાટક) જ ભજવવાનો છે. ‘ડ્રામા’માં ખોટ ગઈ તો પણ હસવાનું ને નફો આવે તો પણ હસવાનું. ‘ડ્રામા’માં દેખાવ પણ કરવો પડે. ખોટ ગઈ હોય તો તેવો દેખાવ કરવો પડે. મોઢે બોલીએ ખરાં કે બહુ નુકસાન થયું, પણ મહીં તન્મયાકાર ના થઈએ. આપણે ‘લટકતી સલામ’ રાખવાની. ઘણા નથી કહેતા કે ભઈ, મારે તો આની જોડે ‘લટકતી સલામ’ જેવો સંબંધ છે ! એવી જ રીતે આખા જગત જોડે રહેવાનું. જેને ‘લટકતી સલામ’ આખા જગત જોડે આવડી એ જ્ઞાની થઈ ગયો. આ દેહ જોડે પણ ‘લટકતી સલામ !’ અમે નિરંતર બધા જોડે ‘લટકતી સલામ’ રાખીએ છીએ તોય બધા કહે કે ‘તમે અમારા પર બહુ સારો ભાવ રાખો છો.’ હું વ્યવહાર બધાય કરું છું પણ આત્મામાં રહીને. ભગવાન મહાવીરને કર્મો ખપાવવા સાઠ માઈલ ચાલીને અનાર્ય ક્ષેત્રમાં જવું પડેલું, ને આજના લોક પુણ્યશાળી તે ઘેર બેઠા અનાર્ય ક્ષેત્ર છે ! કેવા ધન્ય ભાગ્ય ! આ તો અત્યંત લાભદાયી છે કર્મો ખપાવવા માટે, જો પાંસરો રહે તો.

આજ્ઞા પાળી વ્યવહાર ઉકેલજો

અમે તો શું કહ્યું, આ જ્ઞાન લીધા પછી ચિંતા થાય તો જોખમદારી અમારી ! પણ આ આજ્ઞા પાળવ^ી જોઈએ. આજ્ઞા અઘરીય નથી. તમે પ્રેક્ટિસ કરવા માંડો.

પ્રશ્નકર્તા : પાળવા માંડી.

દાદાશ્રી : તમે પાળવા માંડીને ? અત્યારે પ્રેક્ટિસ પાડ પાડ કરો. નહીં તો સહજ નથી એ વસ્તુ. કારણ કે નવું એન્જિન હોયને, તેય ઘસારો ના પડ્યો હોય તો ચાલે નહીં. તે આપણે હેન્ડલ માર માર કરીને રાગે પાડવું પડે. નવી વહુ જોડેય રાગે પાડવું પડે. બધું નવું નવું હોય તો રાગે પાડવું પડે. પહેલે દહાડે વહુ રિસાઈ હોય અને આપણેય રિસાઈએ તો ભલીવાર ક્યારે આવે ? જો રિસાઈ હોય તો આપણે ધીમે રહીને કહેવાનું, ગભરાશો નહીં, આપણે એક જ છીએ. આમતેમ કરીને પટાવી-પટાવીને કામ લેવું. એય રિસાય ને આપણે રિસાઈએ તો રહ્યું શું પછી ? કામ લેતા આવડવું જોઈએને, ના આવડવું જોઈએ ?

જો બધા ખુશ થઈ જાય છે ને ? વાત સમજવી પડશે કે નહીં ? હું તો સ્વતંત્ર કરવા આવ્યો છું તમને.

ખરી રીતે એક ઘરને જ જીતવાનું છે

આ સંસાર ઘરના જ માણસોને લીધે ઊભો રહ્યો છે, બીજા કશાથી નહીં. ઘરનો લાભ લેતા આવડતું નથી. આ તો પાંચ-છ જણાનું એસોસિયેશન (મંડળ) છે. ખરી રીતે દુનિયા જીતવાની નથી, ઘર જીતવાનું છે.

ઘરમાં તો સુંદર વ્યવહાર કરી નાખવો જોઈએ. ‘વાઈફ’ના મનમાં એમ થાય કે આવો ધણી નહીં મળે કોઈ દહાડો અને ધણીના મનમાં એમ થાય કે આવી ‘વાઈફ’ પણ ક્યારેય ના મળે, એવો હિસાબ લાવી નાખીએ ત્યારે આપણે ખરા !

અમે આ સંસારની બહુ સૂક્ષ્મ શોધખોળ કરેલી. છેલ્લા પ્રકારની શોધખોળ કરીને અમે આ બધી વાતો કરીએ છીએ. વ્યવહારમાં કેમ કરીને રહેવું તેય આપીએ છીએ અને મોક્ષમાં કેવી રીતે જવાય તેય આપીએ છીએ. તમને અડચણો કેમ કરીને ઓછી થાય એ અમારો હેતુ છે.

જય સચ્ચિદાનંદ