અદીઠ તપનો પુરુષાર્થ સંપાદકીય અક્રમ વિજ્ઞાન થકી આત્મજ્ઞાન તો પ્રાપ્ત થયું. હવે જાગૃતિ અનુભવમાં પરિણમવા માટે પાંચ આજ્ઞાપાલનની સાથે સાથે બીજો ઉપાય શો ? આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ. ભગવાન કહે છે, મોક્ષના ચાર પાયા છેઃ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ. આત્માની પ્રતીતિ ‘હું શુદ્ધાત્મા છું’ એ અનુભવમાં લાવવા માટે તપની આવશ્યકતા છે. ભગવાને તપ બે પ્રકારના કહ્યાઃ બાહ્ય તપ અને અંતર તપ. બાહ્ય તપ ઉદયમાં હો તો ભલે હો પણ ના હોય તો તેને ઊભા કરવાના નથી. મોક્ષ માટે બાહ્યતપ નહીં પણ અંતર તપની જરૂર છે. બાહ્ય તપ એ શુભ કારણ છે, જ્યારે અંતર તપ એ શુદ્ધનું કારણ છે. તપ કરવું એટલે શું ? પૂર્વે કરેલા કર્મોના ફળ ઉદયમાં આવે, ત્યારે એ કડવું હોય કે મીઠાશવાળું હોય, એ બન્નેમાં સમતા રાખવી એ તપ. ઉદયમાં ભળવું નહીં અને તેને રાગ-દ્વેષ રહિત જોયા કરવું એ અંતર તપ. કોઈ અપમાન કરે એવા સંજોગોમાં જ્ઞાન ગોઠવીએ એટલે સંસાર વ્યવહારમાં કષાય ના થાય પણ મન-બુદ્ધિ અંદર ઊંચા-નીચા થાય, હૃદય તપે તેને જોયા કરવું અને પુદ્ગલ પરિણામમાં ભળવું નહીં તે તપ. સામાના પ્રત્યે મનના પરિણામ ના બગડે એ તપ કર્યું કહેવાય. તપ એટલા માટે કરવાનું કહ્યું છે કે જેથી પોતાની આત્મજાગૃતિ વધે, જગત નિર્દોષ દેખાય અને પોતાના જ દોષ દેખાય. દોષ દેખાય એટલા જાય અને એમ કરતા કરતા દોષ રહિત થવાય. તપ પૂરું કરે તેમ તેમ મુખ્ય વસ્તુ પ્રાપ્ત થાય. તપ તો બધાયને આવે જ, કોઈને છુટકારો જ ના થાયને ! ઉદયમાં તપ આવે એટલે આપણે તપ તપવું પડે. એ તપ ગયા પછી ફરી તપવું નહીં પડે. એટલે જેટલા તપ ઓછા થઈ ગયા એટલો નિવેડો આવી ગયો. આ તપ તો ઠેઠ કેવળજ્ઞાન થતાં સુધી કરવાનું છે. એટલે શાતા-અશાતા વેદનીયમાં કે ગમતા-ના ગમતા સંજોગોમાં ભળવું નહીં, મન-બુદ્ધિ-હૃદય તપે તેમાં ના ભળીએ, તેને ખોરાક ના આપીએ અને તેને જોયા કરીએ એ મોક્ષનું અદીઠ તપ કહેવાય. પોતાના સ્વરૂપની બહાર ના નીકળે, પોતાનું અને પરાયું જે છે તેની હદમાં રહે એ અંતર તપ. આત્માનો શુદ્ધ ઉપયોગ એ ખરું તપ. જેમ જેમ તપ થતું જાય તેમ તેમ અનુભવ દશા વધતી જાય અને આત્મચારિત્ર અનુભવાતું જાય. અંતર તપ એ તો પુરુષ થયા પછીનો પુરુષાર્થ છે. જો એ તપ ના હોય તો જ્ઞાન-દર્શન ચોખ્ખું ના થાય. એટલે જ્યાં સુધી શુદ્ધ ના થાય, સંપૂર્ણ ના થાય ત્યાં સુધી તપ છે. ‘હું શુદ્ધાત્મા છું’ એ દર્શન, એનો અનુભવ થાય એટલે જ્ઞાન. જેટલા પ્રમાણનો અનુભવ એટલા પ્રમાણમાં વીતરાગતા, એટલું જ ચારિત્ર. તપથી આત્મચારિત્ર પ્રગટે. સંપૂર્ણ આત્મચારિત્ર પ્રગટે એટલે પૂર્ણાહુતિ અને એ જ આપણો ધ્યેય. પ્રસ્તુત સંકલનમાં ધ્યેયપૂર્તિ માટે વિવિધ સંજોગોમાં અંતર તપ થકી આત્મચારિત્ર પ્રગટે ત્યાં સુધીના પુરુષાર્થના તાત્વિક ફોડ ખુલ્લા થાય છે. જેના અભ્યાસે તપની સચોટ સમજણ કેળવી અનુભવની ઉચ્ચતમ શ્રેણી સુધી પહોંચવાનો પુરુષાર્થ આદરી શકાય તેમ છે. જય સચ્ચિદાનંદ. અદીઠ તપનો પુરુષાર્થ એ દુઃખ નથી, એ છે આંતરિક તપ પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધું છે અને પછી સાધારણ વ્યવહારમાં અપેક્ષાઓ રહ્યા કરે છે, આધ્યાત્મિક દ્રષ્ટિએ. એ અપેક્ષા શું વસ્તુ છે ? દાદાશ્રી : પણ અપેક્ષા સંસારની રહે છે ને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : સંસારની જેટલી અપેક્ષાઓ છે, એ બધી પૂરી થઈ જવાની, આ ભવમાં જ. પ્રશ્નકર્તા : એક વ્યક્તિ છે, વ્યવહારની અંદર એ વ્યક્તિની સામે આપણે અપેક્ષા રાખી કે આ માણસ આમ કરે, આ પ્રમાણે વર્તે અને પછી એ ન વર્તે ત્યારે શું કહેવાય ? દાદાશ્રી : એ ન વર્તે તોય વ્યવસ્થિત અને વર્તે તોય વ્યવસ્થિત. પ્રશ્નકર્તા : તેનું દુઃખ થાય છે તે ? દાદાશ્રી : એ તપ છે, એ દુઃખ નથી. એ જ્ઞાન-દર્શન-ચારિત્ર ને પછી તપ એ ચોથો પાયો છે. મોક્ષે જવાના ચાર પાયા જોઈએ, તેમાંથી ચોથો પાયો કાઢી નાખવો છે તમારે ? ત્રણ પાયાનો જ પલંગ રહેશે પછી ! પ્રશ્નકર્તા : પણ એ દુઃખ થાય, તે એ દુઃખને કેવી રીતે સમજવું ? દાદાશ્રી : એ તપ છે, એ દુઃખ નથી ! હવે તમને દુઃખ તો આવે જ નહીં, તપ જ આવે છે. તે તપ તો આવવું જ જોઈએ ને ? અને આંતરિક તપ કહેવાય છે એને. પ્રશ્નકર્તા : એવું ઘણું તપ આવે છે. દાદાશ્રી : એ જેટલું વધારે આવે ને, એટલું જાણવું કે આ ચોખ્ખું થવા માંડ્યું. એટલે આવવા દો. હજુ તો આપણે કહેવું કે હજુ તમે ઓછા આવો છો, બધા આવો ! પ્રશ્નકર્તા : બોલાવીએ છીએ... દાદાશ્રી : હા, બોલાવો, બોલાવો, દાદા મળ્યા છે હવે. ‘આવવું હોય તો આવો, ગભરાશો નહીં’, કહીએ. એ લોકો ગભરાય પણ આપણે ના ગભરાઈએ ! અક્રમ વિજ્ઞાનનું તપ પ્રશ્નકર્તા : આપણા અક્રમ વિજ્ઞાનમાં તપ કરવાની જગ્યા કંઇ આવી ? દાદાશ્રી : તપ કરવું એટલે શું કે પાછલો હિસાબ ચૂકવવાનો ને ચૂકવતી વખતે મીઠાશેય આવે અને કડવુંય આવે. મીઠાશ આવે ત્યાંય તપ કરવાનું છે અને કડવું આવે ત્યાંય તપ કરવાનું છે. એનું ફળ તો આપ્યા વગર રહે નહીંને ! ડિસ્ચાર્જ કર્મ એનાં ફળ મીઠાશમાં મીઠાશ આપે અને કડવાશમાં કડવાટ આપે. પ્રશ્નકર્તા : પણ દાદા, તમે સમજાવ્યું છે કે નગીનભાઇએ મને ગાળ ભાંડી, તો મને તરત ખબર પડે કે આ તો મારા કર્મના ઉદય છે, એમનો કંઇ દોષ નથી, તો પછી અહીંયા તપ ક્યાં આવ્યું ? દાદાશ્રી : એને જ્ઞાન કહેવાય. એ જ્ઞાનથી તપ કરવાનું થયું. તપ કરવાનું એટલે શું ? પોતાને તપ કરવું નથી પડતું. મહીં મન-બુદ્ધિ તપે છે, ત્યારે મન-બુદ્ધિ જે તપી રહ્યા છે તેને સમતાપૂર્વક જોયા કરવું, એનું નામ તપ કહેવાય. તેને સમતાપૂર્વક જોયા કરવાનું, તન્મયાકાર નહીં થઇ જવાનું. આ જગત આખું, મન-બુદ્ધિ તપે કે તરત એની જોડે પોતેય તપી જાય અને આ તપે નહીં જોડે, એ સૂક્ષ્મ તપ કહેવાય. મન-બુદ્ધિ તપી જાય કે ના તપી જાય ? પ્રશ્નકર્તા : તપે, ત્યાં સુધી પોતે તપ કરવું પડે. દાદાશ્રી : કરવું નથી પડતું, તપ સ્વાભાવિક રીતે થાય છે જ. અંતર તપથી જ મોક્ષ આ દુનિયાદારીની ચીજ માટે શા હારુ હાયવોય હાયવોય કરવાની ? છોકરાં ને છોકરી, રાંડ્યો કે ના રાંડ્યો ? છોકરો મરી ગયો તો ગયો. અનંત અવતારથી કોનો છોકરો હતો ? કિસકા લડકા થા ? દેહ જ કિસકા ? પહેલેથી પ્લસ-માઈનસ કરીને બેઠા હોય તો ભાંજગડ મટી જાયને ! ખરું કે ખોટું ? પછી ચોપડામાં કંઈ છેતરાવાનું રહ્યું નહીંને ! હું તો પહેલેથી પ્લસ-માઈનસ કરીને બેઠેલો. સેફસાઈડ હોવી જોઈએ ને ! છોકરો મરી ગયો ત્યારે પછી તરત દાદાનું જ્ઞાન હાજર ! આવું તપ તો લોકોને યાદેય ના આવે, એ તો તે ઘડીએ કકળાટમાં રહે. દુનિયાદારીની ચીજ એવી છે કે આત્મઐશ્વર્ય પ્રગટ કરે એવી છે ! પણ આ તો આત્મઐશ્વર્ય લઈ લીધું ઊલટું. તપ એટલે શું ? ગમે તેવું થઈ ગયું, છોકરું મરી ગયું પછી મહીં મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર કૂદાકૂદ કરે, લોકો હઉ કહે કહે કરે કે આ વારસો કોણ ખાશે, ફલાણું કોણ ખાશે, નામ શું રહેશે ? આ બધામાં તપ કર્યા કરવાનું. એ છે આંતરિક તપ, એ અંતર તપથી જ મોક્ષ થાય. જ્ઞાનથી મોક્ષ થાય, દર્શનથી મોક્ષ થાય, ચારિત્રથી મોક્ષ થાય ને તપથી મોક્ષ થાય. આ ચાર પાયા છે. એ ચારેવ પાયા આ પાંચ આજ્ઞામાં મૂકેલા છે. તપેલાને શાંતભાવે સહન કરવું એ તપ આ લોકો તો તપ કરવા જાય છે. મૂઆ, તપ કોઈનું શીખી લાવીને કરવાનું નથી. તારું મન જ રાત-દહાડો તપેલું છે ને ! તારું મન, વાણી અને વર્તન જે તપેલું છે, તેને તું શાંતભાવે સહન કર એ જ ખરું તપ છે ! પ્રશ્નકર્તા : એને અંતર તપ કહેવાય ? દાદાશ્રી : હા. અહીંથી સાત માઈલ (દૂર) હોય, એને રસ્તામાં બૂમો પાડીએ તો વળે કશું ? પ્રશ્નકર્તા : ના વળે. દાદાશ્રી : એ તો રસ્તો પૂરો કરવો જ પડે. પ્રશ્નકર્તા : દાદા, અમે બધા એવા જ રસ્તા પર હમણાં ચાલી રહેલા છીએ. દાદાશ્રી : એ બધાય એવા રસ્તા પર જ હતા ને ! પ્રશ્નકર્તા : ઘણીવાર બહુ અંતર તપ લેવું (કરવું) પડે છે. દાદાશ્રી : અત્યારે તો લેવું જ પડે ને રસ્તા પર. અંતર તપ ના લે તો આપણે આમાં છટકીએ (છૂટીશું) નહીં. જો છટકવું હોય તો અંતર તપ રહેવા દો(કરો). પછી આવવાનું નથી, પછી એ જોગ જ નહીં આવે. અંતર તપ એટલે શું ? પ્રશ્નકર્તા : અંતર તપ એટલે શું ? કેવી રીતે અંતર તપ સમજી શકાય ? દાદાશ્રી : પોતાના સ્વરૂપ બહાર ના નીકળે તે અંતર તપ. પોતાનું અને પરાયું જે છે તે તેની હદમાં જ રહે તે અંતર તપ. આપણે જાણીએ કે આ ઘર આપણું અને આ બાણહદ નાખી દીધી અને આ ખેતર આપણું, આ ન્હોય આપણું. તે પહેલા પેલા ખેતરમાં પેસતા હતા, તે હવે અહીં આગળ ન જવું, એ જાગૃતિ રાખવી એનું નામ તપ. બીજું કંઈ તપ નહીં. અને કો’ક ગાળ ભાંડે તે ઘડીએ આપણે આત્મા છીએ, માટે તે ઘડીએ મન મહીં લાલ લાલ થઇ જાય તો પણ તપ કરવું પડે. હવે સવારમાં ચામાં ખાંડ ભૂલી ગયા હોય અને મેડા પર આપણે બેઠા હોય ત્યાં આવે, એટલે આપણે શું સમજીએ ? મોળી લાગે કે તરત સમજીએ કે વ્યવસ્થિત છે આ. એટલે વ્યવસ્થિતનું અવલંબન લઇને તમે શાંત તો થઇ જાવ, પણ મન મહીં ઝાવાદાવા કરે, મન ઊંચુ-નીચું થયા કરે, તે ઘડીએ તપ કરવાનું. મન જે કૂદાકૂદ કરતું હોય, (તેને) જોયા કરવાનું. અને આ ચા થઇ રહેશે, એટલે પછી બીજામાં પેસશે પાછું. ચા થઇ રહી તે લવિંગ (મોઢામાં) નાખીએ. તે મન પાછું લવિંગમાં પડશે, પેલું ભૂલી જશે. તે ઘડીએ તપ કરવાનું. મનનું છે તે જરાય ચિત્ર ન પડી જવું જોઇએ. મન ઝાવાદાવા કરે, તેમાં આપણે તન્મયાકાર ના થઇએ. એટલે જોયા કરીએ. જુએ તો વાંધો નથી, ચિત્રપટ નથી પડતું. પણ જો મહીં મોળા પડી જઇએ, તો ચિત્રપટ પડી જાય. માટે ત્યાં તપ થાય છે. શું નામ છે ? પ્રશ્નકર્તા : ચંદુભાઇ. દાદાશ્રી : ચંદુભાઇ. આ કો’ક અહીં રસ્તામાં મળ્યા અને કહ્યું કે ‘ચંદુભાઇ, નાલાયક માણસ છો, ને તમારામાં અક્કલ નથી’, એ તમારા સાંભળવામાં આવે તો તમને એમ તો લાગે જ કે આ જે બોલ્યા એ વ્યવસ્થિત છે. અને હવે હું ક્યાં ચંદુભાઇ છું, હું તો શુદ્ધાત્મા છું. તોય પણ મન કૂદાકૂદ કરે. ‘એ કેમ કહે ? શું એને માને છે ?’ તે આમ છે તે ઘડીએ આપણું હૃદય તપે. તે તપતું જોયા કરવું, લાલ લાલ લાલ થઇ ગયું હોય એ જોયા કરવું, ધીરજ પકડવી એનું નામ તપ. પોસિબલ (શક્ય) થાય કે ના થાય ? પ્રશ્નકર્તા : હા, એ હવે કરવાનું છે. તપ તપવાના ઘેર બેઠા પ્રશ્નકર્તા : દાદા, આ તપ આપે શીખવાડ્યું તો પછી અમારા ઉપાશ્રયને એ તો બધું બંધ થઇ જશે. અમારા ઘરની અંદરનું તપ થઇ ગયું આ તો. દાદાશ્રી : ના, પણ એ બધા બંધ ના થાયને ! આ તો જ્ઞાન લીધેલું હોય ને, તેટલા જ લોકોને અનુકૂળ આવે આ અંદરનું તપ. આ અંદરનું તપ બીજા કોઇથી થાય નહીંને, જ્ઞાન ના લીધેલું હોય તેને ! પ્રશ્નકર્તા : અમારે તો ઘરની અંદર જ તપ મળી ગયું. અમારો દીકરો, અમારી પત્ની અમને તપ કરાવે છે. દાદાશ્રી : એટલે એવું છે ને, હવે તમને ખબર પડે કે આ નાનો છોકરો આપણો છે, પણ મારું થર્મોમિટર છે. મારો તાવ ચઢેલો તરત ખબર પડી જાય એનાથી. એ વાંકું બોલે એટલે આપણે મહીં અકળામણ થાય, એટલે આપણે જાણીએ કે તાવ ચઢ્યો આને લીધે. માટે આ થર્મોમિટર છે. અને તાવ ચઢે નહીં તો આપણે જાણવું કે આ થર્મોમિટર અડાડતા તાવ ચઢતો નથી, ખાતરી થઇ ગઇ. એટલે છોકરો ને એ બધા થર્મોમિટર છે. હવે એવું થર્મોમિટર ક્યાંથી લાવીએ ? આવડું મોટું થર્મોમિટર ક્યાંથી લાવીએ ? તમને મારી વાત પહોંચે છે, હું કહું છું તે ? પ્રશ્નકર્તા : એ જ અંતરતપ ? દાદાશ્રી : ત્યારે અંતર તપ એ જ ને, બીજું કયું ? અંતર તપ, જમતા સમયે મોક્ષે જવું હોય તેને અંતર તપ કરવું પડે. (ખાવામાં) મીઠું વધારે પડ્યું એટલે આપણે અંતર તપ કરી એને ખઈ લેવાનું. પછી પેલા (પત્^ની) ખાય ને ત્યારે પૂછે કે ‘મીઠું વધારે પડ્યું હતું તે તમને ખબર ના પડી ?’ ત્યારે કહીએ, ‘ખબર પડી હતી, પણ તમને ખબર પડે એટલા માટે જ અમે આ ના કહ્યું. તમને ખબર પડશે, તે વળી મારે કહેવાની જરૂર શું છે ? હું કંઈ નોટિસ બોર્ડ છું ?’ દાળમાં મીઠું ઓછું છે તે નોટિસ બોર્ડ ઉપર આવી ગયું. પછી ઘડીવાર શાંતિ ના રહે. આ કાળનો હિસાબ તો જુઓ ! આ કેવો ધમધમતો કાળ છે ! સળગતો કાળ છે ! અને એમાં પાછા, ‘આ મીઠું કેમ વધારે નાખ્યું છે ?’ ઓહોહો ! આ મીઠું ના ખાવાવાળ^ા ! સત્યુગમાં ખાવું હતુંને નિરાંતે, અત્યારે શું કરવા ખાવા આવ્યો છું, મૂઆ ! અત્યારે ખઈ લે ને પાંસરો, નહીં તો હમણે થાળી બહાર મૂકી આવીશ. મીઠું વધારે કેમ નાખ્યું, એનું અહિત કાઢે પાછું ! અત્યારે તો જેમ તેમ કરીને ખઈ લે. પતાવી દેવાનું કામ. રાત બગડે નહીં એટલો હિસાબ ચોખ્ખો કરવો, નહીં તો વધારે ભાંજગડ થાય તો રાત બગડી જાય. તે બેન આમના ફરીને સૂઈ જાય, આપણે આમ ફરીને સૂઈ જઈએ. તે આપણને ઉત્તર દેખાય ને એમને દખ્ખણ (દક્ષિણ) દેખાયા કરે. મેળ જ ના પડે આનો ! એટલે જેમ તેમ કરીને પાંસરું કરવું પડે. આ બાહ્ય તપ એ બધા શુભનું કારણ છે ને આંતરિક તપ એ શુદ્ધનું કારણ છે. ના ગમતી રકમને તપથી ભાંગો આપણું તપ કેવું હોવું જોઈએ કે તપવું, મનને તપાવવું. એટલે મનમાં જ્યારે ટાઈમ એ થઈ ગયો ને મન તપવા માંડ્યું એટલે મનને ખોરાક જોઈએ. તે વખતે તો એને મીઠો લાગે એવો ખોરાક ભેગો કરી આપો. ઘરની કંઈ વસ્તુ યાદ કરીને એને મહીં મનમાં ઘાલી દો કે બીજું ઘાલી દો, તો એ તપ ના કહેવાય. તપ તો તે ઘડીએ કે આત્મામાં જોડી દઈએ, આત્માનો શુદ્ધ ઉપયોગ કરીએ, તો તપ કહેવાય. આ છોકરાંઓને હું પૂછું, ‘અલ્યા, મહીં ઉપાધિ-ચિંતા થાય ત્યારે શું કરો ?’ ત્યારે કહે, ‘વખત કાઢી નાખીએ સિનેમા-બિનેમામાં જઈને.’ એટલે વટાઈ ખાય. જ્યારે તપ કરવાનો વખત આવ્યો, ત્યારે સિનેમામાં જઈને મોજ કરી આવે. એટલે સોની નોટ બે રૂપિયામાં આપી દીધી. આપણે તો સોની નોટ હજારની થાય એવું કરવું જોઈએ. એટલે એવું થાય તે ઘડીએ બધાની અંદર બેઠેલા શુદ્ધાત્મા જોવા, બીજું જોવું, ત્રીજું જોવું અગર તો આપણા ઘરના, આજુબાજુના, સગાવહાલાના પ્રતિક્રમણ કરવા. સગાવહાલાના તો બધા ડખા થયેલા જ હોય કે ? તે બધાના, પછી પાડોશીના... બીજું જુઓ, ત્રીજું જુઓ, ચોથું ઘર, પાંચમું ઘર, આ બાજુના ઘરો, તે નવરાશમાં બધાના પ્રતિક્રમણ કરીએ. એવું બધું ગોઠવી દેવું. બધું સાફ કર્યું કે ચોખ્ખું. તમારે તો કરવું પડશે. કોઈ કરવા લાગશે નહીં ને ? આમ કંઈ બીજા કરવા લાગે ? ત્યારે વાઈફ કરવા લાગે ? એ એમનું કરે કે તમારું કરે ? એટલે આવું તેવું ગોઠવવું પડે, ત્યારે તપ કહેવાય. તપ એટલે મનને ગમતી વસ્તુ નહીં આપવી, બીજે (પુરુષાર્થના) રસ્તે ચડાવી દેવું. મનને ગમતી વસ્તુ આપી દઉં છું ને ? પ્રશ્નકર્તા : કો’ક વાર આપી દેવું પડે. દાદાશ્રી : એ ઠીક વાત છે. કો’કવારનો વાંધો નહીં, નહીં તો તપ મળે નહીંને આવું. તે તમે ત્યાં આગળ કહો છો, કે ત્યાં હોટલમાં લઈ જઈને મનને આનંદ કરાવો, એ ચાલે નહીં. ના ગમતી રકમને તપથી ભાગો, તો જવાબ શૂન્ય આવે ! નથી મહેનત અમલમાં મૂકવાની પ્રશ્નકર્તા : અદીઠ તપ એ બહુ કઠણ વસ્તુ છે. કારણ કે એ વસ્તુ જોઈને ન ગમે છતાંય એનું નિરાકરણ કરવું એ ખરેખર બહુ કઠીન વસ્તુ છે. પણ હવે એને અમલમાં કેવી રીતે મૂકવી તે કહો. દાદાશ્રી : આપણું જ્ઞાન જ એવું છે ને, તે અમલમાં મૂકાઈ જ જાય. આ સાહેબ કશું બોલ્યા હોય અને મહીં તમારું હૃદય તપે. તે પછી તમારે (અંદર) આપણું જ્ઞાન શું કહે ? એ જે બોલ્યા એ વ્યવસ્થિત છે. આમ છે, તેમ છે કરીને પછી એ તપેલું એમને એમ ઊડી જાય. તપે તો ખરું જ. પ્રશ્નકર્તા : તપે છે એ હું કહું છું. દાદાશ્રી : એ તપે પણ આ બધું, આવું જ્ઞાનથી પછી ઊડી જાય. તપ્યા વગર તો રહે જ નહીંને ! પ્રશ્નકર્તા : પણ એ અદીઠ તપ ન કહેવાયને ? દાદાશ્રી : એ જ તપ. જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ, આ ચાર પાયા સમજ્યા ને ? તપ પૂરું કરે તેમ તેમ મૂળ વસ્તુ પ્રાપ્ત થાય. તપ તો પૂરું કરવું જ જોઈએને ? જ્ઞાનથી પૂરા થાય તપ પ્રશ્નકર્તા : આ અદીઠ તપ કરવું જ પડે એવું ખરું ? આપણે મન-બુદ્ધિ ને એ બધાને સમજાય સમજાય કરીએ, તો પછી એને જે ચરચરાટ થાય, તે બંધ ના થઈ જાય ? દાદાશ્રી : અમારેય અદીઠ તપ કરવું પડે. અમારે અમારા પ્રમાણમાં કરવું પડે. ઠેઠ સુધી અદીઠ તપ કરવાનું છે. મન ચિડાય, બુદ્ધિ ચિડાય તોય પણ આપણે જોયા જ કરવાનું એ. તે ઘડીએ તપ થાય. બંધ તો થાય જ નહીં. એ તમારે તપ મહીં કરવાનું છે. એ તો તપ થાય જ એની મેળે. હવે ત્યાં એ જો ચંદુભાઈ સામાને વઢે, ત્યારે મનમાં સંતોષ લે કે આપણે એને વઢ્યા છીએ તે બરોબર છે, તો એને તપ રહ્યું નહીં. એ (સામો) આપણને કંઈ કહે, પણ આપણે એને વઢ્યા એટલે આપણને તે ઘડીએ તપ ના કરવું પડે. એટલે ત્યાં પેલું વઢવાનું નહીં આપણે, એટલે તપ જ થાયને ! મન અકળાયા જ કરેને ! પ્રશ્નકર્તા : પણ દાદાના જ્ઞાનથી એ અકળામણ જતી ના રહે ? દાદાશ્રી : એ જતી રહે, પણ ધીમે ધીમે જતી રહે. એક-બે ફેરો અકળાયું અને પછી ત્રીજે વખતે એ જતું રહેલું હોય, તો પછી બીજી બાબત આવે ત્યારે પાછું બીજામાં અકળાય અને પછી પ્રેક્ટિસ વધુ થાય એટલે જતું રહે. પણ આવું કહેતા જઈએ તેમ તેમ દહાડો વળે. તપ થયેલું તમને ? કેટલા વખત થયેલું ? પ્રશ્નકર્તા : હિસાબ વગરનું, ઘણી બધી વાર, બહુ વાર, દાદા. દાદાશ્રી : ઓહો ! હજી બહુ વાર થયા કરે છે ! જ્યાં સુધી આપણે પૂરા જ્ઞાનમાં ના આવીએ ત્યાં સુધી થયા કરવાનું. તપ, જાત્રા સમયે પ્રશ્નકર્તા : જાત્રામાં પેલા તપ ઊભા થાયને જાતજાતના, ત્યાં તપ કરવાનું આવે બધું, ત્યારે કાચા પડી જવાય છે. દાદાશ્રી : એ તો કાચા પડે, એની પણ યાદ આવેને ? પછી એ જાગૃતિ આવેને ? કાચા પડશો ને એ હજી એવો અનુભવ જ થયો નથી. એટલે આ એકદમ અનુભવ થતા સુધી કાચો પડેને ! પણ પછી અનુભવ થઈ જાયને ! અનુભવ ના થાય તો નકામા જાય, કાચું જ રહેવાય. કાચા થયા તેથી એ (અનુભવો પરથી) પાકા થયા. કાચો જ ના પડ્યો હોય તો પાકો શી રીતે થાય ? એ તો જાત્રામાં આવી અથડામણ આવે ને જેમ આવે તેમ વધારે એ જગ્યા ઉપર જવું. અથડામણ વધારે આવે તો જાણવું કે વધારે આપણને અનુભવ થયા. ‘ન્યાય સ્વરૂપ’ જગતમાં, ઉપાય તપ પ્રશ્નકર્તા : અથડામણ ટાળવાની, ‘સમભાવે નિકાલ’ કરવાની આપણી વૃત્તિ હોય, છતાં સામો માણસ આપણને હેરાન કરે, અપમાન કરે તો શું કરવું આપણે ? દાદાશ્રી : કશું નહીં. એ આપણો હિસાબ છે, તો આપણે તેનો ‘સમભાવે નિકાલ’ કરવો છે, એમ નક્કી રાખવું. આપણે આપણા કાયદામાં જ રહેવું અને આપણે આપણી મેળે આપણું ‘પઝલ’ ‘સોલ્વ’ કર્યા કરવું. પ્રશ્નકર્તા : સામો માણસ આપણું અપમાન કરે ને આપણને અપમાન લાગે એનું કારણ આપણો અહંકાર છે ? દાદાશ્રી : ખરી રીતે સામો અપમાન કરે છે તે આપણો અહંકાર ઓગાળી નાખે છે, અને તેય પેલો ‘ડ્રામેટિક’ (નાટકીય) અહંકાર. જેટલો એક્સેસ (^વધારાનો) અહંકાર હોય તે ઓગળે, એમાં બગડી શું જવાનું છે ? આ કર્મો છૂટવા દેતા નથી. આપણે તો નાનું બાળક સામું હોય તોય કહીએ, ‘હવે છૂટકારો કર.’ તમને કોઇએ અન્યાય કર્યો ને તમને એમ થાય કે મને આ અન્યાય કેમ કર્યો તો તમને કર્મ બંધાય. કારણ કે તમારી ભૂલને લઇને સામાને અન્યાય કરવો પડે છે. હવે અહીં ક્યાં મતિ પહોંચે ? જગત તો કકળાટ કરી મેલે ! ભગવાનની ભાષામાં કોઇ ન્યાયેય કરતું નથી ને અન્યાયેય કરતું નથી, ‘કરેક્ટ’ (સાચું) કરે છે. હવે આ લોકોની મતિ ક્યાંથી પહોંચે ? ઘરમાં મતભેદ ઓછા થાય, ભાંજગડ ઓછી થાય, આજુ-બાજુનાનો પ્રેમ વધે તો સમજીએ કે વાતની સમજણ પડી, નહીં તો વાતની સમજ પડી નથી. જ્ઞાન કહે છે કે તું ન્યાય ખોળીશ તો તું મૂર્ખ છે ! માટે એનો ઉપાય છે તપ ! કો’કે તમને અન્યાય કર્યો હોય, તો તે ભગવાનની ભાષામાં ‘કરેક્ટ’ છે. જે સંસારની ભાષામાં ‘ખોટું કર્યું’ એમ કહેશે. આ જગત ન્યાયસ્વરૂપ છે, ગપ્પું નથી. એક મચ્છર પણ એમને એમ તમને અડે તેમ નથી. મચ્છર અડ્યો માટે તમારું કંઇક કારણ છે. બાકી એમને એમ એક સ્પંદન પણ તમને અડે તેવું નથી. તમે સંપૂર્ણ સ્વતંત્ર છો. કોઇની આડખીલી તમને નથી. પ્રશ્નકર્તા : અથડામણમાં મૌન હિતકારી ખરું કે નહીં ? દાદાશ્રી : મૌન તો બહુ હિતકારી કહેવાય. પ્રશ્નકર્તા : દાદા, બહાર મૌન હોય, પણ અંદર તો બહુ ઘમસાણ ચાલતું હોય તેનું શું થાય ? દાદાશ્રી : એ કામનું નહીં. મૌન તો પહેલામાં પહેલું મનનું જોઇએ. સત્ પુરુષનું મૌન તપોબળ પ્રશ્નકર્તા : મૌનને તપોબળ કહે છે તે કયા અર્થમાં ? દાદાશ્રી : મૌન તપોબળ એટલે માણસ અમુક જગ્યાએ મૌન ના રહી શકે. ત્યાં જો મૌન રહે તો એ મૌન તપોબળમાં જાય. નોકરે પ્યાલો ફોડ્યો, ત્યાં મૌન રહે તે તપમાં જાય. એટલે મૌન જેવી કડકાઇ આ જગતમાં કોઇ નથી. બોલેને તો કડકાઇ બધી વેડફાઇ જાય. મોટામાં મોટું તપ તે મૌન. બાપ જોડે ઝઘડો થાય ત્યાં મૌન પકડે તો તપ થાય. તે તપમાં મહીં બધું ઓગળે ને એમાંથી સાયન્સ ઊભું થાય. આજે તો લોક મૌન પકડે ને બીજે દહાડે સામટો ઉકાળો કાઢે ! મૌન તપોબળ તો બહુ કામ કાઢી નાખે. આખા જગતનું કલ્યાણ કરી નાખે. તેથી કવિએ લખ્યું છે ને, ‘સત્પુરુષનું મૌન તપોબળ, નિશ્ચય આખા જગને તારે !’ આ દાદા પાસે બધી બોલવાની છૂટ છતાં મૌન રહે, એ મૌન તપોબળ કહેવાય. પ્રશ્નકર્તા : મૌન કોને કહેવાય ? દાદાશ્રી : આત્માર્થે જે જે બોલે તે બધું મૌન જ ગણાય. પ્રશ્નકર્તા : સ્થૂળ બોલવાનું બંધ કરીને મૌન પાળે તે હિતકારી ખરું ? દાદાશ્રી : સ્થૂળ મૌન તો સ્થૂળ અહંકારને બહુ વેરણ-છેરણ કરી નાખે. આ સંસારની જંજાળ જ શબ્દમાંથી ઊભી થયેલી છે. મૌનથી તો ખૂબ જ શક્તિ વધી જાય એવું છે ને બહારની વાણીથી લોકોને દુઃખ થાય, એ પથરાની પેઠ વાગે. તે મૌનને દહાડે તો તેટલું બંધ થાય ને ? મૌન એ સંયમ લાવે છે. આ જાડું જાડું મૌન એય પણ સંયમ લાવે છે. એ અહંકારનું મૌન કહેવાય. અને ‘હું શુદ્ધાત્મા છું’ એ રીતે જાગૃત રહે એ શુદ્ધાત્માનું મૌન કહેવાય. મૌન પરિણમે તપમાં પ્રશ્નકર્તા : સામાનો વ્યૂ પોઇન્ટ (દ્રષ્ટિકોણ) સમજાય નહીં તો શું કરવું ? દાદાશ્રી : મૌન રહેવું. મૌન રહેવાથી અક્કલહીણા માણસો શાણા ગણાયા. વખતે કહે કે ‘તારામાં છત (આવડત) નથી.’ તો મૌન રહેવું. અને તે વખતે જો આપણે સામા થઇએ તો તે પેલાને યાદ રહેશે અને કહેશે કે ‘આ તો છત વગરનો જ છે.’ સુષમકાળમાં મનથી બંધન હતું ને આ દુષમકાળમાં વાણીથી જ બંધન છે. પ્રશ્નકર્તા : વાણીનું તપ એટલે શું ? દાદાશ્રી : વાણીનું તપ એટલે, વાણીના તપ બે પ્રકારના થાય છે. એક આજ્ઞા લઇને ના બોલવું અને એક જાતે ના બોલવું. તે વાણીના તપ બહુ સારા કરે તો, એનાથી ફાયદો ઘણો છે. નરી શક્તિ જ વાણીમાં વપરાઇ જાય છે. આપણા લોકો ઘરમાં લાકડીઓ મારે છે કે વાણી માર માર કરે છે ? લાકડીઓ, ધોલો નથી મારતા, નહીં ? ‘તું આવી ને તું આવી. તારો બાપ આવો છે ને તારો બાપ આવો છે ને.’ આવું બધું એને બિચારીને કહે. પેલી કહેશે, ‘તમે આવા, તમારા બાપાય એવા હતા.’ કોઇ મારતું-કરતું નથી. સંસ્કારી લોકો છે, સંસ્કાર છે એટલે મારતા નથી. પણ આ પાછું વાણીનું તોફાન આવ્યું. વાણીનો કંટ્રોલ કર્યો હોય તો બહુ પુણ્ય થાય, બહુ અંદર શક્તિઓ વધી જાય. આ શબ્દો ના હોત ને, તો મોક્ષ સહજ છે. માટે કોઇના માટે અક્ષરેય બોલાય નહીં. કોઇને ખોટું કહેવું તે પોતાના આત્મા ઉપર ધૂળ નાખ્યા બરાબર છે. આ શબ્દ બોલવો એટલે તો જોખમદારી છે બધી. અવળું બોલે તો તેની પણ મહીં પોતાની ઉપર ધૂળ પડે, અવળું વિચારે તો તેનીય મહીં પોતાની ઉપર ધૂળ પડે. એટલે એ અવળાનું તમારે પ્રતિક્રમણ કરવાનું, તો એનાથી છૂટી જવાય. તપ કરવાના, જાગૃતિ અર્થે પ્રશ્નકર્તા : આ જે બધી ફાઈલો છે ને, એટલે આખો દિવસ એટલા બધા પોતાના દોષો દેખાય છે કે હવે મને મારાથી ખૂબ કંટાળો આવે છે. દાદાશ્રી : એ તો આવે જ. પ્રશ્નકર્તા : આખો દિવસ દોષ એટલા બધા દેખાય છે ક્ષણે ક્ષણે. દાદાશ્રી : દોષ દેખાય છે, એટલે એ દોષ જતા રહેવાના. દોષ દેખાય તો આત્મા થયો. શુદ્ધ થાય તો જ દોષ દેખાય ને ! પ્રશ્નકર્તા : પણ આખો દિવસ ? હરેક ક્ષણે ? દાદાશ્રી : હા, તે (પોતાના) દોષ દેખાય તો સારું ઊલટું. તપ એટલા માટે કરવાના કહ્યા છે કે પોતાના દોષ દેખાય, એ જાગૃતિ આવે. એ જાગૃતિ જ દોષ દેખાડે. ઋણાનુબંધી સામે જરૂર જાગૃતિની પ્રશ્નકર્તા : જેની સાથે કંઈ ઋણાનુબંધ હોય એની જ સાથે ટકરાઈ જવાયને ? બીજા કોઈ સાથે ના ટકરાવાયને ? દાદાશ્રી : એ તો પહેલાંના હિસાબ હોયને, ત્યાં જ ટકરાવાય. પ્રશ્નકર્તા : હવે મારે કોઈની સાથે નથી ટકરાવાતું, બધે સાચવી લઉં પણ આમની સાથે છ-આઠ મહિને, જો કે હવે બહુ ઓછું થઈ ગયું છે પણ એમની સાથે આંતરિક તપ ના થાય, એમને કહેવાઈ જ જાય. દાદાશ્રી : તે વાંધો નહીં. એ તો તારે નિકાલ કર્યે જ છૂટકોને ! એમણે નિકાલ કરવો, પછી તારે નિકાલ કરવો. ત્યાં જ ટકરામણ થઈ એટલે ભૂલ તો એક જણની ન કહેવાય, બે જણની જ ભૂલ હોય. કોઈકની ચાલીસ ટકાવાળી, કોઈની સાઠ ટકાવાળી, કોઈકની ત્રીસ ટકાવાળી, પછી એંસી ટકા, સિત્તેર ટકા હોય એ બેની કંઈક હોવી જ જોઈએ. પ્રશ્નકર્તા : અને પછી સમાધાન તો આવી જાય, બે-પાંચ મિનિટમાં. દાદાશ્રી : એ આવી જાય. પ્રશ્નકર્તા : પણ ત્યારે પેલું પરાક્રમ જો વપરાઈ જાય અને સંજોગ સાચવી લઈએ તો આનંદ થાય. પણ હજુ એ સચવાય નહીં. દાદાશ્રી : એટલે એ ધીમે ધીમે જાગૃતિ એવી રાખીને કરવાનું. તમે જેમ જેમ મારી જોડે રહોને, તેમ તેમ એ ફેરફાર થતો જાય. મારો એક જ શબ્દ તમોને કાનમાં પડેને, તો એ શબ્દ જ કામ કર્યા કરે. પ્રશ્નકર્તા : પેલી કહેવત છેને, ‘અણી ચૂક્યો સો વર્ષ જીવે.’ એવી રીતે અમારા કષાયો ઉત્પન્ન થાય, એના પર જો કાબૂ આવી જાય તો કેટલું બધું જીતી જઈએ ! દાદાશ્રી : એવું છે ને, કાબૂ એટલે શું કહેવાય ? આપણે ધારીએ ત્યારે કરી શકીએ. આપણું જ્ઞાન આપણને જડ્યું તો આ મૂઆ (કષાયો) કંટ્રોલમાં જ હોય, જ્ઞાન જ કામ કરે. એટલે સૌથી સારામાં સારો એનો ઉપાય એ કે ‘ચંદુલાલ, કેમ છે, કેમ નહીં,’ એ વાતો કરવા જેવી એ જ ઉપાય. શું કહેવું જોઈએ ? પ્રશ્નકર્તા : એની સાથે નિરંતર વાતો કરીએ અને કહે કહે કરવું જોઈએ કે ‘આ સારું ના કહેવાય. અણી કેમ ચૂકી જાવ છો ?’ દાદાશ્રી : એવું કહેવાય, એ તો બધું કહેવાય. પછી ફરી પાછા ચૂકી જાય, તો પાછું કહેવાનું ને પ્રતિક્રમણ કરવાનું. પ્રત્યાખ્યાનેય કરવું જ પડે, નહીં તો પછી આ ખરું હતું, એવું માની લે. ભોગવટો ઊભો અણસમજણથી પ્રશ્નકર્તા : ના ગમતું કરવાનું આવે ત્યારે અંદર તપ હોય કે અંદર તપ ના હોય ? દાદાશ્રી : તપ હોય તો જ કામનું. તપ ના હોય તો કર્મ બાંધે. પ્રશ્નકર્તા : એ સમજાવો ને, દાદા. કેમનો કર્મ બાંધે ? દાદાશ્રી : નથી ગમતું, એ ઢહેડીને (પરાણે) કરે તો પાપ બાંધે. તપ જ હોવું જોઈએ. મહીંથી (સમજણમાં) કરેક્ટ થયેલો હોય. પ્રશ્નકર્તા : પણ એમાં ભોગવટો હોય કે ના હોય ? દાદાશ્રી : તપ જ હોય. પ્રશ્નકર્તા : પણ એ તપમાં ભોગવટો ના હોય ને ? દાદાશ્રી : ભોગવટો કેટલો હોય ? અણસમજણ હોય ત્યાં સુધી. આ ખરું હતું ને આ છોડવાનું થયું, એ અણસમજણથી. ખરું-ખોટું હોતું જ નથી ને ! આ તો પોતાની સમજણે નક્કી કરે છે. તેની પાસે કંઈ છે ડિસિઝનનું સાધન ? કશું સાધન નથી. ના ગમતામાં તપ નથી ગમતું તો તપ થાય જ, એની મેળે. ના ગમતું કરવું તે ઘડીએ અદીઠ તપ કહેવાય. તે આવું આવે ત્યારે મન સામું થાય. ત્યાં આગળ, તે ઘડીએ તપ કરવાનું હોય આપણે. વારેઘડીએ તપ આવે નહીંને ? એટલે મન તપે તે ઘડીએ આપણે જોયા કરવાનું. મન તો તપ્યા વગર રહે નહીંને ! એને જે આદત પડી છે એ આદતની વિરુદ્ધ થાય એટલે મન તપે જ, નહીં ? પછી પાછી અહીં આયે (આદત) પાડીએ ત્યારે પછી કશુંય નહીં. જલેબી ખઈને ચા પીતી વખતે મન કૂદાકૂદ કરે, એય મોળી લાગી. અલ્યા મૂઆ, પણ જલેબી તે ખાધી શું કરવા અત્યારે તે ? હવે એ કહે છે, મહીં ગમતું નથી, શું કરવું ? મેં કહ્યું, ગમતું ના હોય તે જ તપ કરવાનું છે, કારણ કે પ્રસંગ પ્રાપ્ત થવો એ ઉદયને આધીન છે અને ગમતું ના હોય એ બે ચાલે નહીં. ઉદયાધીન જે જે વસ્તુ હોય, તેમાં તાપ સહન કરવો. તાપ તપવું એનું નામ જ તપ. તપ બોલાવા જવાનું નથી, આવી પડેલું તપ કરવાનું છે. ન ધાર્યું હોય એવું છોકરો બોલીને ઊભો રહે. છોકરાની વહુએય ના ધાર્યું હોય એવું બોલીને ઊભી રહે. ગ્રહણ નથી કરવાનું, નિકાલ કરી નાખવાનો છે. ત્યાગ કરનારો અહંકારી હોય, ‘મેં ત્યાગ કર્યો’ કહેશે અને ગ્રહણ કરનારો અહંકારી હોય. નિકાલ કરનારો એને તો કશું જોઈએ નહીં. નિકાલ એની મેળે જ થઈ જાય. ગમતી - ના ગમતી ફાઈલો જોડે... હવે આપણને ગમતાવાળા એ પણ ‘ફાઈલ’ અને ના ગમતાવાળા એ પણ ‘ફાઈલ.’ ના ગમતા જોડે વહેલો નિકાલ કરવો પડે. ગમતાવાળા જોડે નિકાલ થઈ જાય. ના ગમતો છે, માટે પૂર્વભવની જબરજસ્ત ‘ફાઈલ’ છે. આપણને દેખતા જ ના ગમે. તે આવીને બેસે, ત્યારે આપણે શું કરવું ? મનમાં નક્કી કરી નાખવાનું કે ‘ફાઈલનો સમભાવે નિકાલ કરવો છે.’ પછી કહીએ, ‘તમે આવ્યા, બહુ સારું થયું. ઘણા દિવસે આવ્યા. અમને બહુ ગમ્યું. જરા ભાઈ માટે ચા લઈ આવો, નાસ્તો લઈ આવો.’ ‘ફાઈલનો નિકાલ’ કરવા માંડ્યા એટલે નિકાલ થવા માંડે. પણ બધું સુપરફ્લ્યુઅસ કરવાનું, ડ્રામેટિક (નાટકીય) ! એ જાણે કે ઓહોહો ! મારા પર બહુ ભાવ દર્શાવે છે. એ ખુશ થઈ જાય અને વેર બધું ભૂલી જાય. વેર છૂટી જાય એટલે ‘સમભાવે નિકાલ’ થઈ જાય. એ ઊઠે ત્યારે આપણે કહીએ કે ‘જો જો ભઈ, અમારો કંઈ દોષ થયો હોય તો...’ ત્યારે એ જ કહેશે કે ‘નહીં, નહીં, તમે તો બહુ સારા માણસ છો.’ એટલે ચૂકતે થઈ ગયું. આ લોકોને કશું જોઈતું નથી. અહંકાર પોષાયો એટલે બહુ થઈ ગયું. કોઈ માણસ મારવા આવ્યો હોય, ખૂન કરવા આવ્યો હોય, પણ ‘ફાઈલનો નિકાલ’ કરવો છે એવા તમારા મનમાં ભાવ ઉત્પન્ન થયા કે તરત એના ભાવ ફરી જશે અને તલવાર કે છરી હશે, તે નીચે મૂકીને જતો રહેશે. ફાઈલ પ્રત્યે પ્રિજ્યુડીસ (પૂર્વગ્રહ) છોડી દો એટલે એ ફાઈલ તમારા કહ્યા પ્રમાણે કરે એવું છે. અમારા કહેલા શબ્દમાં રહેને તો સંસાર સરસ ચાલે એવો છે અને મોક્ષે પણ જવાય. એટલું સુંદર વિજ્ઞાન છે આ ! અને ક્ષણે ક્ષણે વિજ્ઞાનનો ઉપયોગ થાય એવું છે, પણ વિજ્ઞાન વાપરતાં આવડવું જોઈએ. સત્સંગના અંતરાયે તપ પ્રશ્નકર્તા : સત્સંગમાં આવવાનો સંયોગ ભેગો ના થાય તો એ વખતે તપ કરવાનુંને ? દાદાશ્રી : હા, ત્યારે તપ કરવાનું. ઘરના માણસો આંતરે એ વખતે તપ કરવાનું. આંતરે તે આપણા અંતરાયો હોય તેથી. તો તે ઘડીએ કોઈ પણ જાતનું ઊંધું-ચત્તું નહીં કરવાનું, તે ઘડીએ તપ કરવાનું. પ્રશ્નકર્તા : કોઈના પ્રત્યે એવો વિચાર ના આવવો જોઈએ કે આ લોકો મને કેમ ના પાડે છે ? દાદાશ્રી : એવું બધું કશું નહીં, ઊંધું કર્યા સિવાય તપ જ કરવાનું. એ તો નિમિત્ત છે બિચારાં. બગડે ન મનના પરિણામ, એ ખરું તપ જ્યારે તમારે તો મહીં જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ. ચોથો પાયો તે આંતરિક તપ છે તમારું. તે બાહ્ય તપ ના હોય તમને. અને (આવી પડેલા) બાહ્ય તપ તો સહેજે હોય તમને. હવે આ બહારના લોકોને તો બાહ્ય તપમાં શું આવ્યું ? ત્યારે કહે છે કે છોકરો મોટી ઉંમરનો હોય, છોકરાને ઘેર છોકરો હોય, તોય બાપા એને ટૈડકાવે. તે ઘડીએ આ વધારે કષાય કરવા અને દુઃખી થવું એના કરતા સહન કરી લેવું સમભાવે, શાંત ભાવે. તો એને તપ કર્યું કહેવાય. અને તપ તો ક્યારે કર્યું કહેવાય ? ‘મનમાં પરિણામ ન બગડે ત્યારે તપ કર્યું કહેવાય.’ સામાના પ્રત્યે મનના પરિણામ ન બગડે ત્યારે એ તપ કર્યું કહેવાય. મન બગડે અને સહન કરીએ એનો અર્થ નહીં કશોય. સમતાભાવ એ જ આંતરિક તપ પ્રશ્નકર્તા : આપ જે આંતરિક તપની વાત કરો છો એ સમતાભાવ જ ને ? દાદાશ્રી : બિલકુલ સમતાભાવ, કરેક્ટ. કોઈ મહેમાન તમારે ઘરે રહેવા આવ્યા હોય, ત્યારે અંદર અકળામણ થાય ને બહાર કહેશે, ‘ભઇ, શાંતિથી રહેજો.’ પાછું મોઢું તો બરોબર આનંદમાં ના હોય. પેલો સમજી જાય કે સાહેબનું મોઢું ઊતરી ગયું છે. હવે મનમાં શું થાય કે હવે ક્યારે જશે ? આ ક્યારે જશે ? એ તો સંયોગ છે, એનો વિચાર નહીં કરવાનો. એને માટે ખરાબ વિચાર આવે એટલે પ્રતિક્રમણ કરવાનું. મહીં તપ તપ્યા જ કરવાનું. અને બે-ત્રણ દા’ડા થાય, એટલે પોટલા બાંધવા માંડે કે આપણે સમજી જઇએ કે જવાનો થયો આ. ત્યારે આપણે જરા ગમ્મત કરવા માટે કહીએ, ‘હમણે બે દા’ડા જવાનું નથી તમારે.’ ત્યારે કહે, ‘હું તો જતો રહેવાનો. મારે કોર્ટમાં તારીખ છે.’ જુઓ, આ સંયોગ વિયોગી સ્વભાવના છે. કશું કહેવું જ ના પડે, એની મેતે જ જતો રહે. માટે સમતા રાખો. સમતા એટલે શું ? અંતર તપ તપો. એટેક નહીં એ જ સમ્યક્ તપ ભગવાને કયું તપ કહ્યું હતું કે કળિયુગમાં ઘેર બેઠા આવી પડે, એ તપ કરજે. આ મફતમાં તપ આવ્યું એ કોણ છોડે ? હમણાં બસમાં બેઠો હતો ને કોઈક ગજવું કાપી ગયો. આ ગજવામાં પાંચસો હતા ને આમાં અગિયારસો હતા. અગિયારસોવાળું કાપી ગયો એટલે પછી તરત મહીંથી વૃત્તિઓ બૂમો પાડે, પેલાને ત્રણસો આપવાના છે, પેલાને પાંચસો આપવાના છે. આપણે સમભાવે નિકાલ કરીએને, ત્યારે વૃત્તિઓ શું કહે ? ના, ના, આ શું સમભાવે નિકાલ કરો છો ? ત્યારે તે ઘડીએ આપણે તપ કરવાનું. તે ઘડીએ હૃદય લાલ લાલ થઈ જાય, તેને જોયા કરવાનું. મહીં અકળામણ થાય. તેથી આપણે એવું સમજવાનું કે કાલના જેટલું લાલ નથી આજ. અને પછી લાલ ઓછું થાય ત્યારે જાણવું કે હા, ઘટ્યું હવે. જેમ આ ગ્રહણ થાય છેને, તે ગ્રહણ વધતું વધતું આપણે સમજીએ કે હજુ વધે છે, હજુ વધે છે. અને વધી ગયા પછી ઊતરે ત્યારે આપણે કહીએ, ‘હવે ગ્રહણમુક્ત થવા માંડ્યું છે. હવે કલાક પછી આપણે બધું કરીએ.’ પણ આ કલાક પછી ગ્રહણમુક્ત થઈ જશે, એવું આપણે જાણીએ કે આ તપ ઘડીવાર પછી ખલાસ થઈ જશે. પણ હૃદય તપે. અને જગતના લોકોને તપેને, તે તપે એ સહન ના થાય. એટલે એટેક કરે પેલા ઉપર. તમે એટેક ના કરો ને તપવા દો. એવું બને કે ના બને ? એટેક કરેને એટલે તપવાનું બંધ થઈ જાય. એટલે નવી લોન લઈ અને જૂની રીપે (ચૂકતે) કરવી. અને આ તપ એટલે તો નવી લોન લીધા સિવાય જૂની રીપે કરવાની. આકરું પડી જાય, નહીં ? આકરું પડે. એક અમેરિકાવાળો મને કહે છે, ‘એ તપ ક્યારે વધારે કરવું પડે ?’ મેં કહ્યું, ‘જોબ જતી રહે તે દહાડે !’ અમેરિકામાં જોબ જતી રહેતા વાર નથી લાગતી. એટલે આપણે તે દહાડે ખરેખરું તપ આવે. તે ઘડીએ તો ખૂબ તપે મહીં, રાત્રે ઊંઘ ના આવે એવું તપે. એ તપે છતાંય એટેક નહીં, નો એટેક. માનસિક એટેક નહીં, હાથથી એટેક નહીં, વાણીથી એટેક નહીં. ત્રણે પ્રકારના એટેક નહીં. આ જ્ઞાન ના હોય તો કેટલા પ્રકારના એટેક કરે માણસ ? મનથી એટેક કરે, પલંગમાં સૂતો સૂતો કહે, ‘સવારમાં આમ કરી નાખું ને તેમ કરી નાખું.’ પ્રશ્નકર્તા : દેહથી ને વાણીથી ના થાય પણ માનસિક એટેક તો થઈ જાય. દાદાશ્રી : થઈ જાય તો આપણે પ્રતિક્રમણ કરી લેવાનું. ખરી રીતે ના થાય, પણ બહુ તપ્યું હોયને ત્યારે જરા માનસિક થઈ જાય, તો પછી પાછા પ્રતિક્રમણ કરવાના. આને સમ્યક્ તપ કહેવાય. કોઈની ડખલ વગરનું તપ, આપણે તે કર્યા કરવાનું. એ તપ તો બધાંનેય આવે. કોઈને છૂટકો જ ના થાયને ! એક ફેરો તપવું પડે તે બાબતમાં. એ તપ ગયા પછી ફરી તપવું નહીં પડે. એટલે જેટલા તપ ઓછા થઈ ગયા એટલો નિવેડો આવી ગયો. આ જ્ઞાની પુરુષ ફોડ પાડી આપે. કળિયુગમાં પ્રાપ્ત તપને ભોગવજો. જે આવી પડે તપ, એટલા ભોગવો તો બહુ થઈ ગયું. પણ તે ભોગવતા નથી, ત્યાં આગળ મારંમાર ને એટેકીંગ બધું કરીને સામો વેપાર કરી નાખે છે. કોઈને દુઃખ ના થાય એ જ મોટું તપ કોઇને સહેજેય દુઃખ ના થાય એ મોટામાં મોટું તપ છે. ત્યારે લોકો બીજી જાતના તપ કરવા નીકળ્યા. અલ્યા મૂઆ, આ તપ કરને ! કોઇને દુઃખ ના થાય તે ઘડીએ આપણે એ (સહન) કરવું, એ મોટું તપ છે, જબરજસ્ત તપ છે. ફેર, તપ ને આર્તધ્યાનમાં પ્રશ્નકર્તા : મન પેલું કૂદાકૂદ કરતું હોય તો જ્ઞાને કરીને તપાવે, તો એ કોઈ વખત આર્તધ્યાનમાં જાય, એવું બને ? દાદાશ્રી : ના, આર્તધ્યાન એને કહેવાય જ નહીં ને ! તપ કહેવાય એ તો. આર્તધ્યાનમાં જાય જ નહીં ને ! આર્તધ્યાન તો કરનારો જોઈએ, હુંપણું જોઈએને ! પ્રશ્નકર્તા : દાદા, એટલે મોક્ષે જવા એવું તપ કરવું જરૂરી છે ? દાદાશ્રી : ના, એ તો એની મેળે હોય જ. જરૂર નહીં, હોય જ. એ ના હોય તો છૂટે જ નહીંને ! જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપ, એ ચોથો પાયો હોય જ અને ના કરે તો પાછો પડે, તો ફરી પાછું એનું એ રહે. અદીઠ તપે થાય છૂટકારો અદીઠ તપ એટલે કોઈ પાર્ટી પાસે મહિના ઉપર જ લાખ રૂપિયા જમે મૂક્યા હોય ને એ પાર્ટી ડૂબી તે સાંભળતાની સાથે મહીં તપ શરૂ થઈ જાય તમારું. આપણે તે વખતે તપ કરી લેવું. આપણે તપ કરીએ ને બિલકુલ સમતા રાખીએ અને એમને માટે ખરાબ વિચાર આવે તેનું પ્રતિક્રમણ કરીએ. એટલે તમે ક્લિયર (ચોખ્ખું) રાખ્યું. એ ક્લિયરનેસની અસર એમની ઉપર થાય. (તમને) આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાય, તપ શરૂ થઈ જાય. જ્યાં જ્ઞાન ના હોય, તેને આર્તધ્યાન-રૌદ્રધ્યાન થાય અને આ તપ તપે. એવું તપે, ખરેખરું ! એટલે તમાર^ું તપ તો આવું કોઈએ અપમાન કર્યું ત્યારે તપ તપે. આ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કોઈ માણસ તમારી પાસે આવે અને તે તમને કડવું પાય, તો તે વખતે મહીં હાર્ટ લાલ થઈ જાય, તે વખતે તમે જ્ઞાનમાં સ્થિર થઈ જાવ અને હાર્ટને જોયા કરો કે કેટલું તપે છે, આને જ ભગવાને જ્ઞાન-તપ કહ્યું છે. સંસાર અવસ્થા એ કુદરતી રચના છે, તેમાં અસ્થિર શું થવાનું ? તપમાં કચાશ, આશ્વાસન લેવાથી પ્રશ્નકર્તા : પણ કોઈ વખત એવુંય બને કે બહુ ભારે કર્મનો ઉદય આવે અને સહન ના થાય, ત્યારે આપણે આપણી બીજા નંબરની ફાઈલને વાત કરીએ, જેથી કરીને આપણને આશ્વાસન જેવું મળે, તો એ કરવાથી આપણી કંઈ કચાશ રહી જાય ખરી ભોગવવામાં ? દાદાશ્રી : તે આ બીજાનું આશ્વાસન લઈએ તો કાચું જ રહી જાયને ! આ હું દાઝ્યો, તે પેલો દાઝ્યા પર જરા પાણી ચોપડી આપે. એ તો પૂરું જ ભોગવી લેવું પડે. છતાં પણ સહન ના થાય તો કહી દેવું. પ્રશ્નકર્તા : સહન ના થાય એટલે આપણે આ વાત કરીએ, આશ્વાસન લઈએ તો એ જે બોલી જવાય છે, તો એ ટેપરેકર્ડ નહીં ? દાદાશ્રી : ટેપરેકર્ડ ખરી જ ને ! તે ઉપાય ખોળ્યો ને ! સહન થતું હોય તો નથી કહેતા ને ! સહન નથી થતું માટે કહે છે. તે ઉપાય ખોળ્યો ! ડિપ્રેશન સામે જાગૃતિ ત્યાં તપ ભૂખ લાગે અને ખાવાનું ના મળ્યું હોય ટાઈમે, તે ઘડીએ વલખાં મારવા એને ભગવાને ગુનો કહ્યો. તે વખતે આત્મા જડે. ક્યારે જડે ? ખરું ડિપ્રેશન આવ્યું હોય ત્યારે એમાં શાંતિ પકડે ત્યારે આત્મા જડે. એનો ઉપાય કર્યો કે માર્યો ગયો. ડિપ્રેશનનો ઉપાય સંસાર કર્યો. ડિપ્રેશનમાં જ આત્મા જડે. ડિપ્રેશન એ તપ કહેવાય અને તપમાં આત્મા જડે. પણ તે ખોઈ નાખે આ છોકરાંઓ બિચારા, સમજણ નહીંને ! આત્મા ક્યારે જડે ? પ્રશ્નકર્તા : દુઃખમાં. દાદાશ્રી : જ્યારે ખૂબ ચોગરદમના ઉપસર્ગ-પરિષહ હોયને ત્યારે આત્મા જડે. તને સમજણ પડે છે કે ? હા, તો હવે શું કરીશ ? પ્રશ્નકર્તા : હવે નહીં ખોઈ નાખું. દાદાશ્રી : ડિપ્રેશનમાં કોઈ ઉપાય નહીં (કરવાનો). ડિપ્રેશન જેવી તો કોઈ દવા નથી આ દુનિયામાં. તે આ અણસમજુ લોકોએ ધૂળધાણી કરી નાખ્યું બધું. સમજણ વગરના લોકો ! (આપણે) બહુ કડક થવું, ‘સૂકાઈને મરી જા, પણ હવે એકાકાર થાય એ બીજા. તમે જુદા ને અમે જુદા’ કહીએ. તે વખતે ઝબકારો મારશે. આ તો બહુ ભૂખ લાગે એટલે ગમે તેનો એંઠવાડો ખઈ લેવો, કો’કનો. ધીસ ઇઝ ધી વે ? (શું આ રસ્તો છે ?) હવે આ જંગલી નહીં, ત્યારે બીજું શું કહેવાય ? લોકોનો એંઠવાડો ખાવાનો છે કે વટ રાખવાનો છે ? એ વટ રાખ્યો, તેનો આત્મા હાજર થાય. શું કરીશ હવે ? પ્રશ્નકર્તા : અત્યાર સુધી ડિપ્રેશન આવે, તેને દૂર કરવાના ઉપાય કરતા હતા. દાદાશ્રી : ડિપ્રેશન તો હિતકારી છે હવે. મોટામાં મોટું હિતકારી ડિપ્રેશન છે. પ્રશ્નકર્તા : એ હવે ફિટ થયેલું છે. દાદાશ્રી : ફિટ થયેલું છે પણ મારું કહેવાનું, ડિપ્રેશનમાંથી પોતે નીકળી જવું જોઈએને ? પ્રશ્નકર્તા : એ નીકળી રહ્યો છે. દાદાશ્રી : નીકળી રહ્યો છે, પણ તેમાંથી હવે નીકળી જ જવું જોઈએ. રહ્યો છે શું આમાં ? ચોખ્ખું જ કરી દેવાનું, કે ‘ચંદુભાઈ, સૂકાઈ સૂકાઈને ખલાસ થઈ જઈશ તોય પણ આ જુદા જ છીએ તારાથી હવે.’ તપથી પ્રગટ થાય આત્મા પ્રશ્નકર્તા : તો પણ દાદા, એ વાત બરાબર છે કે નિશ્ચયથી પૂરું થઈ ગયું છે પણ વ્યવહારથી બાકી રહ્યુંને ? દાદાશ્રી : તોય વ્યવહારથી બાકી રહ્યું. તે તો આપણને જો કોઈ વ્યવહાર ના ચલાવતા આવડે તો શું કરીએ ? હવે ગામ બે માઈલ છેટે રહ્યું, ગામ આઠ માઈલ થયું ત્યારે મને કહેશે, ‘મારે પાછું ડિપ્રેશન આવે છે ને હું પાછો જતો રહું !’ પ્રશ્નકર્તા : ના, એવું ના બોલીએ. દાદાશ્રી : પાછો જતો રહું, કહે. આઠ માઈલ પાછો આવે પણ બે માઈલના હારુ છોડી દે, આવેલું ગામ. આ જ્યારે ડિપ્રેશન આવે ત્યારે આત્મા પ્રગટ થવાનો થાય, ત્યારે મૂઓ છોડી દે ! ઊલટું આત્મા પ્રગટ થવા માટે તપ કરે લોકો. આજ ખાવું નથી, (કશું) કરવું નથી ને એમ કરીને એ મહીં દુઃખ થાય, ત્યાર પછી આત્મા પ્રાપ્ત થવાનું કિરણ દેખાય. ત્યારે તેને બદલે આ તપ આવે ત્યારે આવું ગાંડાં કાઢે. સમજણ જ નહીંને ! પ્રશ્નકર્તા : એનો અર્થ એવો કે જ્યારે ડિપ્રેશન આવે એ ટાઈમે આત્મા જલદી પ્રગટ થાય ? દાદાશ્રી : એટલા હારુ તો આ તપ કરતા હતા અત્યાર સુધી ત્યાં ગુફામાં જઈને, બેસીને. પ્રશ્નકર્તા : ડિપ્રેશન લાવવા માટે ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : એટલે આ મહાવીર સ્વામીએ અનાર્ય દેશમાં જઈને, સામે ચાલીને દુઃખો વહોર્યા ? દાદાશ્રી : ના, એમને દુઃખ ના હોય. એમને તો કર્મ ખપાવવા માટે અનાર્ય દેશમાં જવું પડ્યું હતું. કર્મો ખપાવવા માટે આ તપ કરેલા. ગુફાઓમાં સાધનાઓ કરે છે. તે ભૂખ્યા રહે ને, તે બધું ત્યાં આગળ તપ કરે. પ્રશ્નકર્તા : પણ જ્ઞાનીની સમજ વિના તપ લે તો માર્યો જાયને ? દાદાશ્રી : તો એ અજ્ઞાન તપ કહેવાય. એ તો દેવો છેને જે અજ્ઞાનના, ત્યાં જગ્યા મળે છે. પણ જો જ્ઞાનીની સમજ સ્વીકારે તો મોક્ષ થાય. તપમાં નાપાસ, તો આવે પાછું ફરી પ્રશ્નકર્તા : આપણે પ્રાપ્ત તપ છે, ત્યાં તપ એ હૃદય તપીને લાલચોળ થાય અને એના જ્ઞાતા-દ્રષ્ટા રહો. એ સાંભળીએ છીએ અને જ્યારે ખરેખર એવો પ્રસંગ આવીને ઊભો રહે છે, ત્યારે પોતાને જ્ઞાનમાં રહીને પેલું આવવું જોઈએ. પણ એ ઘણી વખત નથી બનતું, એવું શાથી ? દાદાશ્રી : ના કેમ બને તે ? એ પુરુષ થયા પછી પુરુષાર્થ ના બને (થાય), એવું હોતું હશે ? તપ કર્યું, તે ઘડીએ હાલી નહીં જવું એ તપ કહેવાય. આપણે તે ઘડીએ સ્થિર રહીને એ કરી લીધું એટલે તપ આવી ગયું. હાલી જઈએ તો ફરી એ તપ આવે પાછું. તપમાં નાપાસ થયા તો ફરી આવે પાછું. પાસ થયા કે છૂટ્યા. મહીં તપે, લાલ લાલ થઈ જાય તો જોયા કરવું. સંયોગ છે એટલે વિયોગ તો થયા વગર રહે જ નહીં ને ! એટલે આપણે કહીએ કે ‘આ તપ ક્યારે બંધ થશે ?’ ત્યારે કહે, ‘ના, વિયોગ થવાનો જ છે એનો.’ એ તપ, બીજું કોઈ તપ નહીં. ભૂખ્યા રહેવું તેવું તપ નહીં. એ જે આવે વ્યવસ્થિતમાં, થાળીમાં જે આવે તે બધુંય ખાવાનું. શારીરિક અશક્તિ આવે, ત્યાં એ બધું તપ કરવાનું. એટલે ચોખ્ખું થઈ જાય. જેટલું તપ કર્યું નથી એટલું તપ આવે. જેમ તપ કર્યું એમ ચોખ્ખું થતું જાય. સંસારમાં રહે પાકા, તે તપમાં પડે કાચા પ્રશ્નકર્તા : દાદા, આ ભાઈ જે તપ કરે છે તે, એમના જેવું તપ અમને ઊભું થાય તો સારું એવું થાય. દાદાશ્રી : તમને ના થાય તપ (એના) જેવું. તે તને તો કળા આવડેને ? જેને કળા ના આવડે, તેને તપ થાય. તને અહીં આગળ મોટરવાળાએ ઉતારી પાડ્યો ને એને સમજાવીને પાછો ફરી બેસી જઉં. પણ એ તો ઉતરી પડે. સમજાવતા આવડે નહીંને ! એટલે પછી એને તપ કરવું પડે. અને તું સમજાવીને પાછો બેસી જાય. ના બેસી જઉં ? પ્રશ્નકર્તા : દાદા, સમજણ જ નહીં કે અહીં તપ કરવાનું છે, નહીંતર તો તપ કરું. દાદાશ્રી : તપ કરવાની જગ્યાએ તું સમજાવીને બેસી જઉં, એટલે તપ થાય નહીંને તારે ! આને એવું ના આવડે, એટલે એણે તપ કરવું પડે. પ્રશ્નકર્તા : આ તપની વેલ્યુ (કિંમત) સમજાય નહીંને ! દાદાશ્રી : આ ઊભા રહે નહીંને ! તપની વેલ્યુ જ ના હોયને ! પ્રશ્નકર્તા : એટલે પેલા બીજા આડા રસ્તા શોધી કાઢું. દાદાશ્રી : હા, પણ સંસારમાં એ રીતે જ શીખેલોને ! એટલે એવી રીતે ચાલ્યા કરે. પ્રશ્નકર્તા : પણ હવે તો આપણે બદલી કાઢ્યુંને ! દાદાશ્રી : હા, ધીમે ધીમે બદલાશે. એકદમ બદલાય નહીંને ! આ ભાઈ કંઈ સમજીને આ તપ કરે છે એવું કશુંય નહીં. એ તો એની મેળે ઉદય આવ્યો, એની કંઈ પુણ્યૈ જાગી એકદમ. અને મેં કહ્યું કે છૂટો રહે, એટલે રહી ગયું વળી. નહીં તો તન્મયાકાર જ થઈ જતો હતો. સ્ટ્રોંગ ઉપાય લીધોને, કે છૂટો જ રહે બસ. નહીં તો અર્થ જ નહીં. તારું માણસપણું યુઝલેસ (નકામું) જશે, કહ્યું. પ્રશ્નકર્તા : અમને થોડા તપ દેખાડજો, દાદા. અમુક જાતના તપ કરવાના દેખાડજો. દાદાશ્રી : સારું. પણ તે જાડા તપ છે બધા ખાદીના. આ (અંતર તપ) તો મલમલનું તપ કહેવાય. પ્રશ્નકર્તા : પણ ઇચ્છા ખરી તપ કરવાની. દાદાશ્રી : એ તો હોવી જ જોઈએને ! તપ કરીશ તો જ માર્ગ પામીશ સંસારમાં. સંસારમાં તો બહુ ડાહ્યો ગણાઉં. દુઃખ થાય એને જોયા કરવું એનું નામ તપ પ્રશ્નકર્તા : દાદા કોઈકવાર ખીજવાય તો થાય કે દાદા કેમ ખીજવાયા ? હવે કોઈકવાર એમ થાય કે મને ખીજવાય તે ગમતું નથી. દાદાશ્રી : ક્યારે ખીજવાયા તારી ઉપર ? પ્રશ્નકર્તા : મારા ઉપર નહીં પણ બધા ઉપર ખીજવાયને કોઈકવાર, ના પણ ખીજવાય. એટલે તમે છે તે ઝાપટો સાફ કરવા માટે, પણ એને સમજાવવા માટે કરો, તો પણ દુઃખ થાય. દાદાશ્રી : તો પણ દુઃખ થાય ? એ તો આ લોક કોટ ખંખેરે તોય તને દુઃખ થાય ? કોટમાં ધૂળ પડી હોય તે આમ આમ કરવો જોઈએ કે ખંખેરવા પડે ? પ્રશ્નકર્તા : તે તો હું સમજુ છું, તો પણ થાય. દાદાશ્રી : માણસનામાં ધૂળ પડી હોય ત્યારે તેને ખંખેરીને કાઢી નાખીએ. રીપેર કરવાના નહીં ? પ્રશ્નકર્તા : હા, રીપેર તો કરવાનું. પણ... દાદાશ્રી : એ દુઃખ જે થાય છે ને, એ દુઃખ થાય તો જ રીપેર થાય. માટે એ દુઃખ થાય ત્યારે આપણે ખુશ જ થવું. બહુ સારું કર્યું. એ પાપ બળી જાય. બળતી વખતે જરા દુઃખ થાય પણ એને તપ કહેવાય છે. પ્રશ્નકર્તા : પણ એ થોડી સમજ ઓછી હોય તો દુઃખ થાય ને ? દાદાશ્રી : હા, તો પણ તેનું નામ તપ કહેવાય. પ્રશ્નકર્તા : અણસમજણનું દુઃખ... દાદાશ્રી : મહીં દુઃખ થાય એને જોયા કરવું, એનું નામ તપ. સમજો કિંમત, વિશેષ આજ્ઞા તણી તમારા મનમાં એમ ના થવું જોઈએ કે આખો દહાડો રોજ સત્સંગ કરાવે છે. એટલો બધો મનમાં વિચાર કરવો કે ઓહોહો ! મારી ઉપર આજ્ઞા થઈ ! નહીં તો આજ્ઞા જ ક્યાંથી લાવે ? આજ આજ્ઞા થઈ આ દાદાની ! આપણે તો પ્રેમની ખાતર કરવું છે. આપણા પોતાના માટે કરવું છે. આજ્ઞા એ જ ધર્મ છે અને એનાથી જ મોક્ષ થાય. તમે છેક બહારગામથી અહીં આવો અને એક જ કલાકમાં વિધિ કરીને પછી હું કહું કે જાવ પાછા, તો મનમાં એટલો બધો આનંદ થઈ જવો જોઈએ કે ઓહો, મને આજ્ઞા મળી ! એટલે પાળું જ, એવું નક્કી થવું જોઈએ. તે વખતે જે આનંદ થશે ! અહીં તો શું કરો તમે ? પ્રશ્નકર્તા : દાદાએ કહ્યું એટલે કરેક્ટ, એમ કરીને જ જતા રહીએ. દાદાશ્રી : ના, પણ એનો અર્થ નહીં. એ લાભ ના થાય તે વખતે. પ્રશ્નકર્તા : હા, આ સમજ હોવી જોઈએ. દાદાશ્રી : ‘મને આજ્ઞા મળી ! આ આજ્ઞા તો મને જિંદગીમાં મળે નહીં કોઈ દહાડો.’ એટલી બધી આજ્ઞાની કિંમત છે. કોઈ જગ્યાએ મને ના પાડે નહીં. કેટલું મોટું ઉજળું મારું પુણ્ય હશે ! માટે આજ્ઞા મળી આજે ! એ ખૂબ આનંદ થવો જોઈએ મહીં. એનો હેતુ જુએ, જ્ઞાની પુરુષની આજ્ઞા એ જ ધર્મ ને એ જ તપ. પોતાની ઇચ્છાથી કરવું એ જ જોખમ છે. એમની આજ્ઞા ના પાળી, એટલે પોતાની ઇચ્છાથી કરવા ગયો. પાળવી હોય તો પાળે પણ આ મોઢું કઠણ કરીને કરવી, કેટલું બધું જોખમ છે ! એનાથી દાદા માટે અભાવ આવી જાય કોઈ વખત. આજ્ઞા એ તો મોટામાં મોટું લહાણું કહેવાય. કોને મળે ? ત્યાં દર્શન કરવા આવ્યો વડોદરા, કેટલી હરકતો વેઠીને, પણ દાદા આવું કહે છે ? એ મારું પુણ્ય કેટલું જબરજસ્ત હશે ! (એમને એમ) કહે જ નહીંને ? ગાંડા હોય તોય દાદા ના કહે. કહે એવા કંઈ છે ? એવું કહે દાદા ? પણ કેટલું બધું પુણ્ય કે મારી ઉપર આજ્ઞા આવી થઈ ! આજ્ઞા પાળવાથી મોક્ષ થઈ જાય, ભયંકર પાપો ભસ્મીભૂત થઈ જાય. માટે આજ્ઞાને સમજો. ભગવાને કહ્યું છે, ‘આજ્ઞા એ જ ધર્મ છે ને આજ્ઞા એ જ તપ છે.’ પોતાની સમજણે ના ચાલવું. પોતાની રીત આવી કે બધું બગડ્યું, એ સ્વચ્છંદ. પોતાના ડહાપણે ચાલવું. હમણે ખબર ના પડે, એ તો ઊગે ત્યારે ખબર પડે. દુઃખ અને આનંદ, બેઉ સાથે તપમાં પ્રશ્નકર્તા : પણ તપમાંય આનંદ હોઈ શકે કે નહીં ? દાદાશ્રી : તપમાં હંમેશાં એક બાજુ દુઃખ લે અને તપના જ્ઞાતા-દ્રષ્ટાનો આનંદ હોય. તપમાં તપે ખરું પાછું પણ આનંદ હોય. આ ચંદુભાઈનું કો’કે એમની ઑફિસમાં આવીને અપમાન કર્યું કે ‘તમને ધંધો કરતાં નથી આવડતું ને તમે અમને હેરાન કરી નાખ્યા.’ આવી રીતે જેમ તેમ ગમે તે શબ્દ બોલ્યો. એટલે તરત જ્ઞાન ઉપર આપણી દ્રષ્ટિ આવે કે આ આપણું જ્ઞાન શું કહે છે ? ત્યારે કહે, ‘આ ફાઈલનો સમભાવે નિકાલ કરો.’ એવું થાયને ? પણ હવે પેલો બોલ્યો, તે આ શરીરમાં જે મન ને એ બધું રહ્યું છે તે પકડી લે તરત, અંતઃકરણ પકડી લે તરત. અને એનો સામો જવાબ આપવા માટે, હિંસક જવાબ આપવા માટે મહીં બધું લાલ લાલ થઈ જાય. પણ તે ઘડીએ આ જવાબ આપે નહીં ને નક્કી જ રાખે કે સમભાવે નિકાલ કરવો છે. એટલે એ ‘ઓહોહો, અંદર લાલ લાલ લાલ થઈ ગયું છે’ એ જુએ, તે ઘડીએ આ આત્મા ક્લિયર થઈ ગયો. જે તપને જુએ છે એ ક્લિયર આત્મા. એ લાલ લાલ જુએ, પછી એને ટાઢું પડી જાય. હંમેશાં કોઈ પણ સંયોગ જામ્યો તે લાલનો હોય કે ઠંડકનો હોય, ત્યારે જ એ વિયોગી સ્વભાવનો હોય છે. એ ઊભરો થોડીવાર પછી બેસી જાય. પણ એક વખત તો બહુ જ તપે. એને પછી એમ આ અભ્યાસથી જોઈએ, ત્યારે આનંદ થઈ જાય. પણ તપ તો જતું જ નથી, તપ તો પેલું રહે છે જ. પ્રશ્નકર્તા : આપે કહ્યું કે એનો સમભાવે નિકાલ કરવો અને એક વખત આપે શિખવાડ્યું’તું કે આપણું જ પાછું આવ્યું. દાદાશ્રી : એ સમભાવે નિકાલ કરવાનું કેમ કહ્યું ? કારણ કે એ પાછું આવ્યું. એટલે એનો સમભાવે નિકાલ કરવાનો. એને અનુલક્ષીને હોય છે બધા. એક-એક વાક્યને અનુસંધાનમાં હોય છે !
‘સમભાવે નિકાલ’નો નિશ્ચય એ જ પુરુષાર્થ પ્રશ્નકર્તા : આમાં મુખ્ય વસ્તુ આપણે લક્ષમાં રાખવાની રહી કે સમભાવે જગતમાં વર્ત્યા કરો. દાદાશ્રી : બસ, આપણે સમભાવે નિકાલ કરવાનો. તમારે તો ફક્ત આજ્ઞા પાળવાની, એનું નામ જ સમભાવે નિકાલ થઈ ગયો. પછી સામો માણસ ના કરે એ વાત ડિફરન્ટ મેટર (અલગ વસ્તુ) છે. સામો અવળો ચાલતો હોય, તેમાં આપણને એનો વાંધો નથી. આપણે જવાબદાર નથી. સામો કોઈ માણસ આવતો હોય, આપણે જાણીએ કે આ માણસ હમણાં તપી જશે. એટલે આપણે મનમાં પહેલેથી નક્કી કરવાનું કે સમભાવે નિકાલ કરવો છે. છતાંય એ માણસ તપી ગયો અને એની જોડે ચંદુભાઈ પણ તપી ગયા. તમે નક્કી કર્યું હતું છતાંય ચંદુભાઈ તપી ગયા, એનું નામ જ સમભાવે નિકાલ કર્યો કહેવાય. તમારું ડિસિઝન શું હતું ? સમભાવે નિકાલ કરવો હતો. છતાંય તીર છૂટી ગયું, એમાં તમે રિસ્પોન્સિબલ (જવાબદાર) નથી. પ્રશ્નકર્તા : પણ આપણે સામી ફાઈલને એડજસ્ટ થઈ જઈએ, એને સમભાવે નિકાલ કર્યો કહેવાયને ? દાદાશ્રી : આપણે તો એ ફાઈલ આવે કે મનમાં નક્કી થાય કે ફાઈલની જોડે ભાંજગડ છે, તે હવે સમભાવે નિકાલ કરી નાખવો છે. એવું તમે નક્કી કર્યા પછી જે થાય એ કરેક્ટ. એ તો બધી કુદરતી રચના છે. એનો વાંધો નથી મને. ના થાય તો ફરી નિકાલ કરવો જ છે, એમાં પુરુષાર્થ ભાવ રહેલો છે. તમને કહ્યું હોય કે આ જે સ્લોપ (ઢાળ) છેને, એ ચીકણી જગ્યા છે, પડી જશો. માટે આ ફાઈલનો સમભાવે નિકાલ કરજો. પછી તમે સમભાવે નિકાલ કરવાનું નક્કી કરીને અંદર જાવ અને લપસી પડો તો તેનો વાંધો નહીં. મારી આજ્ઞામાં રહ્યો કે નહીં ? અને આજ્ઞામાં રહ્યો, તેને બીજો ગુનો નથી લાગતો. સમભાવે નિકાલ કરવો એનાં જેવું તો કોઇ તપ નથી, એ મોટામાં મોટું અંતર તપ છે. પુરુષાર્થ હોય તપ સહિત જ પ્રશ્નકર્તા : આ ઉદયમાં તન્મયાકાર રહેવું એવું વ્યવસ્થિત ઘડાયેલું હોય છે ? દાદાશ્રી : એવું વ્યવસ્થિત હોય જ. એનું નામ જ ઉદય. ઉદયમાં તન્મયાકાર (રહે એવું) વ્યવસ્થિત હોય જ. અને એમાંથી પુરુષાર્થ કરવો, તે ઘડીએ તપ થયા વગર રહે નહીં. આ બધી ઝીણી વાતો, ક્યારે એ કાંતે ? જેમ કાંતે ત્યારે ખબર પડે. પ્રશ્નકર્તા : આમાં તો ઉદય વ્યવસ્થિતના આધીન છે, પોતે અણસમજણથી તન્મયાકાર થાય છે. આજે આ નવી વાત કહી. દાદાશ્રી : નવી છે જ, પહેલેથી જ આ. આ તો તીર્થંકરોની પાસે હતું, પહેલેથી હતું અને આજેય છે. તું તારી મેળે તારી લૉ બુકથી માંડું, તેનું હું શું કરું તે ? તપ એ પુરુષ થયા પછીનો પુરુષાર્થ પ્રશ્નકર્તા : આ તપમાં ભાવના ક્યાં કરવાની ? આ તો ઑટોમેટિક થઈ જાયને ? દાદાશ્રી : ઑટોમેટિક થતું હશે ? તપ તો કરવાનું છે, પુરુષાર્થ કરવાનો છે. ઑટોમેટિક એ થતું હશે ? ડિસ્ચાર્જ છે એ વસ્તુ ? કેવા માણસો છો ? આવું ખોળો છો ? પુરુષાર્થ છે એ તો. આ તો પુરુષ થયા તેનો પુરુષાર્થ, આ તો જબરજસ્ત પુરુષાર્થ છે. જો જો પુરુષ થયા પછીનો પુરુષાર્થ કયો રહ્યો ? જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ ! પ્રશ્નકર્તા : તપ વ્યવસ્થિતમાં ના આવે ? દાદાશ્રી : ના. વ્યવસ્થિતમાં તપ હોતું હશે ? જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ વ્યવસ્થિતમાં ના હોય, એ પુરુષાર્થની વસ્તુ છે. વ્યવસ્થિતમાં તો પ્રારબ્ધ છે, ડિસ્ચાર્જ વસ્તુઓ ! આ ભાઈથી મોટી ભૂલ થઈ ગઈ હતી, તેથી ભૂલનો ખેદ કરતો હતો અને તપ કરતો હતો. તે પછી આણે એના ભઈને કહ્યું, તો એના ભઈએ કીધું કે આ તો ડિસ્ચાર્જ છે. એટલે પછી આ તપ કરતો’તો તેય બંધ થઈ ગયું. આને ભાન નહીં, તે એણે બગાડી નાખ્યું. એક બાજુ તપ કરવાનું, એક બાજુ પ્રતિક્રમણ કરવાનું. અને આ ડિસ્ચાર્જ જોવા જ બેઠો છું ને ! પણ આ તો દુરુપયોગ કર્યો. બધું ડિસ્ચાર્જ કહે છે, તેને બહુ અસર જ નથી થતી. એવો ને એવો જ રહે છે પછી. જ્યાં આ તપ છે, ત્યાં પુરુષાર્થ કરવાનો રહી જાય છે અને પેલું વ્યવસ્થિતમાં મૂકી દે છે. ‘ડિસ્ચાર્જ છે’, કહેશે. પ્રશ્નકર્તા : પુરુષાર્થ થાય નહીં, તો બીજો કંઈક શોર્ટકટ (ટૂંકો રસ્તો) બતાવો ને ! દાદાશ્રી : આ શોર્ટકટ બતાવ્યોને ! શોર્ટકટ જ છે આ. પેલું ડિસ્ચાર્જ છે, એના પછી તપ છે. પુરુષાર્થ તપથી કરવાનો છે. આ દુરુપયોગ કરવાનો શબ્દ નથી. માટે તપ કરો. શું કરીએ તો તપ કહેવાય ? મહીં મન પજવે ત્યારે તપ કરવાનું. ડિસ્ચાર્જનો અર્થ એ છે કે તપ સહિત ડિસ્ચાર્જ હોય હંમેશાં. એમને એમ ડિસ્ચાર્જ કહી દીધું તો ચાલે નહીંને ! જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપ. તપ ના હોય તો જ્ઞાન-દર્શન ચોખ્ખું જ ના થાય. જેને તપ આવે તે ઉત્તમ છે ને પછી કોઈને ના આવે તો તપ પૂરું થઈ ગયું એટલે ન આવે. પણ તપ તો, ઠેઠ સુધી તપ્યા જ કરવાનું. શુદ્ધ ન થાય, સંપૂર્ણ ન થાય ત્યાં સુધી એ તપ છે. તન્મયાકાર ના થવું તે જ તપ હવે તમારે તપ શું કરવાનું ? ત્યારે કહે, આ જેટલા તપ આંખે દેખાય છે, કાને સંભળાય છે, એ બધા તપ ‘સફળ’ છે. સફળ એટલે ફળવાળા છે, બીજ રૂપે છે. એટલે ફળ આપશે. માટે તારે જો છૂટવું હોય તો ‘સફળ’ તપ નહીં ચાલે, નિષ્ફળ તપ જોઈશે. ફળ જેનું આવે નહીં અને તપવું પડે. તે આ બધી જે તપની ક્રિયા ચાલી રહી છે જગતમાં, એમાંથી તો આવતા ભવની પુણ્યૈ બંધાઈ જાય. આ તમે જે જ્ઞાન લીધું એટલે તમારે રહેવું છે તમારા જ્ઞાનમાં જ, પણ કો’ક છે તે આવીને અડપલું કરે, કે ‘તમે સાહેબ, આવું કેમ અમારું બગાડ્યું અને આમ ને તેમ.’ એટલે હવે તમને ગૂંચવાડો તો છે નહીં, આ જ્ઞાનથી. તમે સોલ્યુશન (ઉકેલ) કરી શકો છો, પણ ચંદુભાઈને થોડી ઘણી અસર થાય. એટલે એ પોતાનું જ મહીં પછી હૃદય તપે, ચંદુભાઈનું. અને તે વખતે પહેલાં એ તન્મયાકાર થઈ જતા હતા, તે હવે ન થવું એ તપ. પહેલાં તો સહેજ હૃદય તપ્યું કે તન્મયાકાર, પણ આમાં તન્મયાકાર ન થવું એ તપ. એટલે આ તપ એ જ મોક્ષે લઈ જનારું છે. એટલે ભગવાને આ તપ કરવાનું કહ્યું. ત્યારે જો આપણે કહીએ કે ભઈ, આપણે કશું બાહ્ય તપની જરૂર નથી. તો લોક સમજે કે આ ભગવાનનું તપ જ એમણે ઉડાડી મેલ્યું. ના, મૂઆ, તપ વગર મોક્ષ થાય જ નહીં. લોક અવળું સમજે ત્યારે આપણે શું કરીએ પછી ? અને એટ એ ટાઈમ (એક સમયે) એક શબ્દ નીકળે, તે નેગેટિવ ને પોઝિટિવ બન્ને ભેગું ન બતાડી શકે. કાં તો પોઝિટિવ બતાડે, કાં તો નેગેટિવ બતાડે. ફરી નેગેટિવ બોલે એ વાત જુદી છે, પણ એટ એ ટાઈમ બન્ને ભાવ બતાડી શકે નહીંને ! આપણા મહાત્માઓ લગભગ પાંચ જ ટકા તપ કરે છે. તપ તો કરવું જોઈએને ? અત્યારે તમારે સમભાવે નિકાલ કરવો પડે છે, તે ઘડીએ તપ નથી કરતા ? પ્રશ્નકર્તા : કરવું જ પડેને, દાદા. દાદાશ્રી : તે નાના નાના. પણ પછી મોટા તપ થવા જોઈએ. આપણો છોકરો મરી જાય, કોઈકે રસ્તામાં એક લાખ રૂપિયાના દાગીના લૂંટી લીધા તોય અસર નહીં, પેટમાં પાણી ના હાલે, તે દાદાનું વિજ્ઞાન. જો બુદ્ધિના કહ્યા પ્રમાણે કર્યું, તો હતા તેના તે જ થયાને પાછા ! ત્યાં તપ કરવું. રસ્તામાં લૂંટાયા હોય તો શું કરો તમે ? પ્રશ્નકર્તા : હાય હાય તો ના કરીએ, પેલું પાછું આવે કે ના આવે, એની બહુ પડી નહીં પણ મને લૂંટી ગયો, એવું તો મનમાં આમ રહ્યા કરે. દાદાશ્રી : એ આપણને શો ફાયદો કરે ? આપણને હેલ્પ (મદદ) શું કરે એ જોવાનું ને ! એ લૂંટી જતા નથી, એમનું એ લઈ જાય છે. આપણું કોઈ લઈ જાય નહીં. પ્રશ્નકર્તા : તપ અંદર કેવી રીતે ઊભું થાય ? લૂંટી ગયા પછી મહીં શું કરવું ? દાદાશ્રી : એ પેલું તપી જાય એટલે તપ સહન ના થાય. એટલે એ પોતે બૂમાબૂમ કરે, એ હઉ તપી જાય, ત્યાં જ્ઞાનથી તપ કરવાનું. ગમે તે સ્થિતિમાં સમતા એ જ તપ પ્રશ્નકર્તા : જ્ઞાનથી એડજસ્ટ થાય, પાંચ આજ્ઞાથી, પણ પેલું ‘લૂંટી લીધા’ એવી બૂમો પાડ્યા જ કરે અંદરથી. દાદાશ્રી : તે ઘડીએ હૃદય તપે, સહન થાય નહીં. વિચાર ઉપર વિચાર, વમળો ફૂટે બધાં. તે ઘડીએ જોયા જ કરવાનું તપેલું. તે ઘડીએ મન બગડવું ના જોઈએ, સામાને માટે. સહેજેય મન બગડે તો તપ જ કેમ કહેવાય ? ગમે તે સ્થિતિમાં સમતા જ રહે તો એ જ અદીઠ તપ ! બીજું શું ? બધું જ પોતાનું છે, પારકાનું છે નહીં. પારકાનું હોય તો તમારે ભોગવવું પડે, એવું બને નહીં. એટલે એમાં પ્યૉર રહેવાનું. પ્યૉર થવાનું છે, ઇમ્પ્યૉરિટી ના રહેવી જોઈએ. કચરો બધો નીકળી જાયને, દાદાની પાસે તો બધું નીકળી જાય છે. એ તમે ફેરફાર નહીં જોયેલો ? આ બહારના તપ તો લોકોને દેખાય અને અંતર તપ તો આપણે એકલા જ જાણીએ. ના ગમતું હોય ત્યાં આગળ સ્થિર થવું. ના ગમતું હોય છતાંય કોઈને હેરાન ના થાય એવી રીતે શાંતિથી રહેવું. અને લોકો તપ આવે એટલે સામા થઈ જાય, પોતાનો બચાવ કરે. આપણે બચાવ નહીં કરવાનો. બચાવવાનો ભાવ થયો એટલે એ તપનો પૂરેપૂરો લાભ લીધો નહીં. એ લાંચ લીધી આપણે. પ્રશ્નકર્તા : અદીઠ તપ કરીએ, તો સમભાવે નિકાલ થઈ ગયો કહેવાયને ? દાદાશ્રી : બધું નિકાલ થઈ ગયું. એમાં લાંચ લઈએ તો એ જરા બાકી રહી જાય ત્યાં. જેટલા પ્રમાણમાં લાંચ લઈએ એટલા પ્રમાણમાં બાકી રહ્યું અને નિકાલ કરો એટલે એ ગયા. તે ઘડીએ (વ્યવહાર) આત્મા હલકો થયો એટલે આનંદ જ હોય. બહુ તપી જાય પછી શું કરું ? બૂમાબૂમ કરી મેલું ? પેલો કકળાટ કરેલો ? કો’કની દાઝ કો’ક ઉપર કાઢે પછી. જે ફાઈલ હોય તે ફાઈલ રૂબરૂ જ પતાવી દેવાની. બીજી ફાઈલને ને એને કનેક્શન (લેવાદેવા) નહીં, નહીં તો કો’કની દાઝ કોઈની ઉપર કાઢે. ‘પેલા’માંથી જુદું રાખવું ‘આપણે’. ભેગું થવાનું થાય, આમ તો પોતે જુદો રહે છે, પણ કો’ક કહે, ‘તમે અમારું પાંચ હજારનું નુકસાન કર્યું.’ એવું કહે, તે ઘડીએ ભેગો થઈ જાય. તે ઘડીએ તપ કરવાનું. તે ઘડીએ ધક્કો વાગે કે ‘મેં તો કર્યું નથી.’ શાથી ધક્કો વાગે છે ? મનમાં એમ થાયને કે આણે મારી પર આરોપ મૂક્યો, એટલે પછી ‘હું શુદ્ધાત્મા’ રહે કે એ રહે ? તે વખતે તપ કરીને પછી ‘હું શુદ્ધાત્મા છું’ રહેવું જોઈએ. આત્મા પોતે જ પરમાત્મા છે. એ તપ સ્વરૂપ નથી, જપ સ્વરૂપ નથી. આ બીજી બધી કલ્પનાઓ છે. ‘સ્વરૂપનું ભાન’ થાય ત્યાર પછી જ આ બીજા બધા સંયોગો બંધ થઈ જાય. દર્શનમાંથી જવાય જ્ઞાનમાં, અદીઠ તપથી ‘હું શુદ્ધાત્મા છું’ એ દર્શન અને એનો અનુભવ થાય એ જ્ઞાન. પહેલું તપ કરે જબરજસ્ત, ત્યારે પેલો દર્શનમાંથી જ્ઞાન ભેગો થાય. જેટલા પ્રમાણનો અનુભવ, એટલા પ્રમાણમાં વીતરાગતા, એટલું જ ચારિત્ર. તપ કરો એટલું ચારિત્ર ઉત્પન્ન થાય. તપને જોવું-જાણવું એ જ ચારિત્ર. એટલે આ જ્ઞાન-દર્શન ચારિત્ર ને તપ, એ ચોથા પાયાનો નિકાલ તો કરવો જ પડશેને ? તે અંદર હૃદય તપે, એને આપણે જોયા કરવાનું, એનું નામ તપ કહેવાય. પ્રશ્નકર્તા : તપ એટલે શું, અંદર ઘર્ષણ થાય ? દાદાશ્રી : નહીં, મહીં અજંપો થાય ને અકળામણ થાય. મોઢે બહાર ના બોલીએ પણ અંદર ને અંદર અકળામણ થઈ જાય. તે તપ સહન કરવું પડે. બહાર તો ફાઈલોનો નિકાલ કરીએ સમભાવે, પણ મહીં અકળામણ થઈ જાય. એ સહન કર્યું ને પેલાને સામાને દઝાડ્યા સિવાય શાંતિથી સહન કર્યું, એનું નામ તપ કહેવાય. એને અદીઠ તપ કહ્યું. અમને આપણા મહાત્માઓ કહે, ‘આટલું બધું અમારું વર્તન ખરાબ થઈ જાય છે, તોય પણ તમને કશું થતું નથી ?’ મેં કહ્યું, ‘મારે શું થાય તે ? એ તો અનુભવમાં આવી ગયેલું હોય, એમાં બીજું શું થવાનું હોય ? એ તો તમે કહો છો કે મને કહેજો તેથી કહું, નહીં તો મોઢે બોલુંય નહીં તમને.’ અદીઠ તપથી સ્વચારિત્ર પ્રશ્નકર્તા : આપણે રોજ દાદાજીની આરતી કરીએ છીએ, ત્યારે જે અદીઠ તપની પંક્તિ આવે, ચોથી આરતી દાદાની, અદીઠ તપ કરે, જ્ઞાન-અજ્ઞાન ભિન્ન ભેદી, સ્વચારિત્ર લહે. ત્યારે લાગે કે (અમે મહાત્માઓ) એ દશામાં છીએ હમણાં. દાદાશ્રી : હા, એને જે જ્ઞાન-અજ્ઞાનની ભેદતા છે ને, તે સ્વચારિત્રમાં રહેતા હોય. અને ભેદ ના કર્યુું ત્યાં પરચારિત્રમાં, એ દશામાં છો (તમે મહાત્માઓ). એટલે કયા માઇલેજ ઉપર છે, એ તમે સમજી જાવ. પ્રશ્નકર્તા : હા, દાદા. આપણા જ કર્મનો ઉદય છે ને, ત્યાં અદીઠ તપ કરવાનું છે ને ? દાદાશ્રી : બધું પોતાનું જ છે, પારકાનું છે નહીં. પારકાનું હોય તો તમારે ભોગવવું પડે એવું બને નહીં. આવી પડેલા તપ કરવાના છે. પ્રાપ્ત તપ ભોગવવાનું એ કંઈ બોજાવાળું વાક્ય છે ? પ્રાપ્ત એટલે સામા આવતાને કોઈ ગાળ દઈ દીધી, તો આપણે જાણીએ કે આ કંઈ તપ આવી પડ્યું. તે આપણે એને કહીએ, ભઈ, કંઈ મારી ભૂલ થઈ હશે તેથી દેતા હશેને ? નહીં તો એમને એમ તો કોઈ દે કંઈ ? અંતર તપ બનાવે ભગવાન પ્રશ્નકર્તા : તપ વખતે સમજણ કેવી હોવી જોઈએ ? દાદાશ્રી : આ મારા હિતનું થાય છે. દાદા કહે છે એ બધું મારું અને દાદા ના કહે છે, એ મારું ન્હોય, એવું જુદું પાડી દે મહીં. પ્રશ્નકર્તા : એટલું બધું સળગતું હોય ને એમ લાગે કે આ સહન નહીં થાય. તોય પેલું મહીં હોય કે આ હિતનું છે, કામનું છે, આને ઓલવી નથી નાખવાનું, એવું રહ્યા કરે પછી. દાદાશ્રી : જ્ઞાન નહીં જલે, જે અજ્ઞાન છે એ ભાગ જલશે. એટલે તારે કાળજી રાખીને સૂઈ જવું. જલવા દેવું, છોને જલી જાય બધુંય. જ્ઞાનનું જલશે નહીં, એની અમે ગેરન્ટી આપીએ છીએ. અંતર તપ તો ભગવાન બનાવે. અંતર તપ હોય ત્યારે જાણવું કે જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ ચારે પાયા છે, એવું નક્કી થઈ જાય. એકલું જ્ઞાન-દર્શન હોય ત્યારે ચાર પાયા પૂરા ના હોય. માટે પુણ્યશાળી છું કે તારે અંતર તપ ચાલુ રહે છે. એ ઊભું કરવાથી થાય નહીં. આપણે સળી કરીને ઊભું કરીએ તો થાય કંઈ ? હમણે કોઈ આમ કરીને હાથ ઝાલે ને કહે, ‘ક્યાં જાય છે, ચાલ.’ ત્યારે ત્યાં અંતર તપ ઊભું થઈ જાય. સંયોગોમાં સ્થિરતા રાખે જ્ઞાનથી આ સંજોગોને લઈને દુઃખ છે હજુ. સંજોગ ના હોય ને, તો કશું દુઃખ જ નથી. સંયોગો વિયોગી સ્વભાવના. એટલે એ કાયમ રહે નહીં. સંયોગ પોતે કર્તાભાવથી ઊભા કરે છે, પણ જો વિયોગ પોતાને કરવો પડતો હોત તો એ છૂટે જ નહીં. કર્તાભાવથી જો વિયોગ થતો હોય, તો કર્તાભાવ છે ત્યાં સુધી મુશ્કેલીઓ ઊભી થાય. એટલે વિયોગ અકર્તા ભાવથી કરવાનો છે, સંયોગ કર્તાભાવથી થયેલો છે. હા, એટલે વિયોગી સ્વભાવના છે, એ લોકોને ગમતું નથી. માટે ‘આ સુખ આવ્યું હતું તો તે બધું જતું રહ્યું.’ ત્યારે મેં કહ્યું, ‘શું આવ્યું ?’ ત્યારે કહે, ‘આ દુઃખ આવ્યું.’ પેલું જતું રહ્યું તો આય જતું રહેશે. મેલને, એ વિયોગી સ્વભાવના છે. જ્ઞાન અસ્થિર હોય નહીં. જ્ઞાનનો સ્વભાવ જ સ્થિર. બધું ચાલ્યું જશે, ક્યાંનું ક્યાંય ચાલ્યું જશે. જરા મોડું થાય તો તે ઘડીએ તપ કરવાનું, એ જ તપ, એ આંતરિક તપ. આ બાહ્ય તપ નહીં, આંતરિક તપ. સંયોગો એમની જગ્યા ખાલી કરવા આવેલા છે, તો પછી તમારે ધીરજ તો પકડવી પડેને ! તપ કરવાનું ભગવાને કહ્યું છે. સંયોગ અવળો નથી, તમારે તપ કરવામાં કચાશ છે. પ્રશ્નકર્તા : આવા તપ આવે એ તો સારું ને, દાદા ? દાદાશ્રી : રિયલી ! આ દુષમકાળના જીવો કેટલા પુણ્યશાળી છે, કે ઘેર બેઠાં તપ મળે છે ! આજ્ઞા જ એવી, સહેજે થાય તપ પ્રશ્નકર્તા : ‘આણાએ ધમ્મો ને આણાએ તપ્પો’ કહ્યું છે ને ! દાદાશ્રી : ‘આણાએ ધમ્મો ને આણાએ તપ્પો.’ ‘આજ્ઞા એ જ ધર્મ ને આજ્ઞાએ જ તપ.’ મહાવીર ભગવાને શું કહેલું કે અમારી જે આજ્ઞા લખી છે તે જ ધર્મ છે ને તે જ તપ છે. પ્રશ્નકર્તા : આ પાંચ આજ્ઞામાં રહેવું એ પુરુષાર્થ કહેવાય ? દાદાશ્રી : હા, આજ્ઞામાં રહેવું એ જ પુરુષાર્થ, એ જ ધર્મ અને એ જ તપ. જ્યાં સુધી તપ છે, ત્યાં સુધી પ્રજ્ઞા છે. ત્યાં સુધી મૂળ સ્વરૂપ નથી. આત્મામાં એ તપ નામનો ગુણ છે નહીં, એ પ્રજ્ઞા તપ કરાવે છે. આજ્ઞામાં બધું જ આવી ગયું. પછી બીજું કશું જ કરવાનું નથી. જો જ્ઞાની પુરુષ મળી જાય તો તેમની આજ્ઞામાં જ રહેવાનું છે. ધર્મ કરવાનો કયો ? ‘જ્ઞાની પુરુષ’ની આજ્ઞામાં રહેવું તે. આજ્ઞા એ જ ધર્મ ને આજ્ઞા એ જ તપ. તમારે હવે શુદ્ધાત્મા તરફ પ્રેમ રાખવાની જરૂર નથી. કારણ કે તમે તે રૂપ તો થઈ ગયા છો. હવે કોની જોડે પ્રેમ કરશો ? તમને જ્ઞાન, દર્શન ને ચારિત્ર શરૂ થઈ ગયું છે ! નહીં તો જોવા-જાણવા પર રાગ-દ્વેષ થાય. જુએ-જાણે તેની પર રાગ-દ્વેષ ના થાય એ વીતરાગ ચારિત્ર કહેવાય. હવે તો તમારે ચારિત્ર પણ ઊંચું થઈ ગયું. આ તો અજાયબી થઈ ગયેલી છે ! પણ હવે એને સાચવી રાખો તો ખરું ! કોઈ ચોકલેટ આપીને બંગડીઓ ના પડાવી લે તો સારું. હવે તો તમને જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપ બધું જ ચાલ્યા કરવાનું. પણ તપની તમને ખબર ના હોય કે ક્યાં આગળ તપ થાય છે ! અમારી ‘આજ્ઞા’ જ એવી છે કે તપ કરવું જ પડે ! જાગૃતિના માર્ગે પ્રગતિનો પાયો તપ વાત સમજે તો આ દુનિયામાં કશું દુઃખ છે નહીં અને ના સમજે ને (પોતે) પ્રયોગમાં હાથ ઘાલે તો એમાં પ્રયોગ બિચારો શું કરે તે ? પ્રયોગ તો કહેશે, ‘હું આવો છું, એવું તું જાણું છું ને હાથ ઘાલું છું, એમાં હું શું કરું ?’ પ્રશ્નકર્તા : હાથ ઘાલીશ, તો ઈફેક્ટ થવાની જ છે. દાદાશ્રી : હં. તારો હાથ બળી જાય છે એવું તું જાણું છું, છતાંય તું પાછો હાથ ઘાલું છું. પણ એમ કરતા કરતા જ્ઞાન ફીટ થાય. આ ભગવાને તપનો પાયો મૂક્યો છે, તે ખોટો નથી મૂક્યો આ. ભોગવે જ છૂટકો. એ તપ થાય છે જ માણસને. પ્રશ્નકર્તા : તે વગર છૂટકો નથી, તપ કર્યા વિના. એ એનો પોતાનો જ હિસાબ છે ને બીજાનો નથી. દાદાશ્રી : હા, પણ તપ કરવું જ પડે છે, તપવું જ પડે છે. હવે દાદાથી છેટા રહ્યા તો તપવું ના પડે. ત્યારે એટલી આપણી પ્રગતિય ના થાય. તપવાનું આવે ત્યારે જ પ્રગતિ થાય. પુરુષાર્થ - પરાક્રમ વચ્ચે તપની કેડી અદીઠ તપ એટલે જ્ઞાન અને અજ્ઞાનને જુદા ને જુદા જ રાખવાના પુરુષાર્થથી પરાક્રમ કરવું પડે તે. ફોરેન ડિપાર્ટમેન્ટ(અનાત્મ વિભાગ)ના મછરાં અમને હાથ મિલાવવા આવે, પણ અમે તેને સામો હાથ ના આપીએ અને હોમ ડિપાર્ટમેન્ટ(આત્મ વિભાગ)માં જ રહીએ. તેથી અમારે તપ ના કરવું પડે. પણ મહાત્માઓ ભૂલથાપથી હાથ દઈ દે એટલે હૃદય તપે. લાલ લાલ ચોળ થઈ જાય. તેને સમતાભાવે સહન કરી લે તો તેનો સમભાવે નિકાલ થઈ જાય. હૃદય તપીને સહી લે. અને તે વખતે પોતે સંપૂર્ણ જ્ઞાતા-દ્રષ્ટા પદમાં જ રહે કે હૃદય ક્યારે તપવાનું શરૂ કર્યું, કેટલું તપ્યું, કેટલો પારો ચઢ્યો વિગેરે વિગેરે, પણ એમાં હાથ ના ઘાલે. હાથ ઘાલે તો તો ખરેખરું દઝાવાય ! તપ થાય તો જ અનુભવ થાયને ! નહીં તો અનુભવ શી રીતે થાય ? એટલે જે બાબતમાં આપણું અંતર તપે, એનાથી છૂટા રહેવા ફરીએ અને અંતર તપે એ બાબતથી આપણને અનુભવ થાય જ. આ બધા પ્રસંગો જે આવે છે, એ તમને અનુભવ આપવા આવે છે, એમને એમ નથી આવતા. કોઈ ધોલ મારી ગયો તો કંઈ એમને એમ મારી ગયો, મફત મારી ગયો ? એ અનુભવ આપીને જાય. કોઈ ધોલ આપે-કરે તો અનુભવ આપશે. તને આપે તો ધ્યાન રાખજે. જ્યારે આ તપ પૂરું થઈ જાય, તેનો નિકાલ થઈ જાય. એ છૂટી જાય ને તે એનો અનુભવ. એ જ આત્માનો અનુભવ, બસ ! સુખ અને પ્રકાશ વધતા જાય. ત્યાર પછી ગજબનો પરમાનંદ પ્રાપ્ત થાય. અનંતાનંત શક્તિઓ મહીં વધી જાય ! જ્યારે આ અદીઠ તપ સંપૂર્ણ થશે, ત્યારે તમારે મહાત્માઓને અમારા જેવું રહેશે. અમારે હવે તપ ના હોય. તપેલો હોય તેને તપ થાય. અમારેય જ્યારે જ્ઞાન નહોતું, ત્યારે ખરું તપ કરવું પડતું હતું. જે જે કોઈ ઝેરના પ્યાલા આપી ગયું, તેને અમે આશીર્વાદ આપીને હસતે મોંએ ઝેર પી ગયા ! તપ (માટે) તો નિશ્ચય બળ જોઈએ. જે થવું હોય તે થા. અમે હવે તારી જોડે ફસાઈએ નહીં. આટલા અનંત અવતાર ફસાયા, હવે ના ફસાઈએ, એવો નિશ્ચય. અમે હવે ધ્યેયને તોડવા માંગતા નથી. નિશ્ચય ના હોય તો મીઠાશ ખેંચી જાય તરત. પોતાનો ધ્યેય સાકાર કરવો હોય તો ગમતું છોડી દેવું પડે અને ધ્યેય અદબદ હશે ત્યાં સુધી કશું વળે નહીં ! તપથી પ્રગટે આત્મ ઐશ્વર્ય પ્રશ્નકર્તા : દાદા, તે અદીઠ તપ કરીએ, તે કર્તાપદમાં નહીં જાય ? દાદાશ્રી : ના, અદીઠ તપ એટલે આત્માનું જ તપ, પુરુષનો પુરુષાર્થ. દાક્તરે કહ્યું હોય કે હવે બે દા’ડા ટકે એવો નથી અને પેલો ટકે એવો હોય, એના મનમાં એમ થાય કે વળી આ હારુ શું થશે ? તે મહીં ઘાલમેલ ઘાલમેલ કર્યા કરે, એ ઘડીએ તપ કરવાનું. મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધાં કૂદાકૂદ કરે, તે જોયા કરવાનું. આપણી વાત છે કે બીજી ચીજની છે ? હા, તો ટકવાની. તે એ જશે તો જશે પણ તપ કર્યા કરવાનું આપણે. આપણી વસ્તુઓ પ્રગટ થાય છે ! ઊલટું ઐશ્વર્ય પ્રગટ થાય છે ! એક ફેરો તપ કરવાથી તો કેટલું બધું ઐશ્વર્ય પ્રગટ થાય ! આખું ઘર બળતું હોય, એકનું એક ઘર હોય તે બળતું હોય, એ જવાનું ત્યાં આગળ. ડોલો ઝાલીને બધે પાણી નાખવાનું. બહાર બાહ્ય ક્રિયા બધી કરવાની પણ મહીં તપ રહે. આમાંથી આપણું છે જ કયું તે ? આ આપણું નથી એવું રહે. તપ થયું કે આત્મઐશ્વર્ય પ્રગટ થાય. પહેલું તો આ સમ્યક્ દર્શનથી આત્મઐશ્વર્ય પ્રગટ થયું. આ જ્ઞાન અમે આપીએ, તે એમાં તો તમારો કંઈ પુરુષાર્થ નહીંને ? પછી જ્ઞાનમાં ધીમે ધીમે પુરુષાર્થ થશે, એ અનુભવમાં આવે તેમ તેમ. આ દાદાનું ઐશ્વર્ય પ્રગટ થયેલું છે. આ બધું ઐશ્વર્ય, પાર વગરનું ઐશ્વર્ય પ્રગટ થયું છે. તે આ લોકોએ જોયું નથી હજુ તો ! એટલું બધું ઐશ્વર્ય પ્રગટ થયેલું. જેમ જેમ નીકળે ત્યારે ખબર પડે કે આ કઈ જાતનું ઐશ્વર્ય ! અને એટલું જ ઐશ્વર્ય દરેક આત્મામાં છે. ઐશ્વર્ય પ્રગટ થયું નથી અને પ્રગટ થાય તેને વ્યક્ત કહે છે. અત્યારે તમારે અવ્યક્તભાવે પડેલું છે અને અમારે ઐશ્વર્ય વ્યક્ત થઈ ગયું છે.
જય સચ્ચિદાનંદ |