બીજાને દુઃખ આપવું, એ કેટલું જોખમી ?

સંપાદકીય

મનુષ્ય ભૌતિક સુખની પ્રાપ્તિ પાછળ એની સઘળી શક્તિ, સમય અને સર્વસ્વ હોમી દે છે, પરંતુ સાચું સુખ શું છે, દુઃખ શું છે, દુઃખનું કારણ શું છે અને દુઃખથી મુક્ત થવાનો ઉપાય શું છે, એનું ભાન ન હોવાથી એની દોડધામનો અંત આવતો નથી, અંતે માર ખાઈ ધર્મ તરફ વળે છે. પછી ધર્મમાં એની દોડધામ શરૂ થાય છે. આટલો બધો ધર્મનો વ્યાપ થયો હોવા છતાં મનુષ્યને જીવનમાં સાચા સુખ-શાંતિ કેમ નથી ? અધ્યાત્મની શ્રેણી સર કરતા હોવાનો દાવો કરતા મુમુક્ષુઓના જીવનમાં આનંદ કેમ નથી ?

આ કળિકાળમાં આવા જટિલ પ્રશ્નોનું કોઈ સાચું સમાધાન મળી શકે ખરું ? હા, જરૂર. જો પરિણામ લક્ષી દ્રષ્ટિ કેળવાય તો અનેક મૂંઝવણો અને દુઃખોનો અંત આજના દુષમકાળમાં મળી શકે એમ છે.

પ્રસ્તુત અંકમાં બીજાંને દેવાતા દુઃખોની વાત કરતાં કરતાં એનું પરિણામ, જોખમદારી શું આવશે એ તરફ એક દ્રષ્ટિ માંડી છે. કર્મના ઉદયે ડિસ્ચાર્જ તો સહેજે ઊભા થશે, પણ જ્યારે જગતની વાસ્તવિકતા સમજાશે, હું કયા આધારે આ સંસારમાં બંધાયેલો છું, મારા એક-એક કર્મના ડગલે શું પરિણામ ઊભા થશે, શું જોખમ ઊભા થશે, એ જો સમજાય જાય તો એની પાછા વળવાની શરૂઆત થઈ જાય છે ને અંદર ખેદ વર્તાય છે. બસ, આ સમજણની શરૂઆત જ એને આગળ લઈ જશે.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે સંસારમાં દુઃખ શાના છે ? વિઝન ક્લિયર ના હોય તેના. એકવાર જો એનું વિઝન ક્લિયર થઈ જશે, તો પછી આ દુઃખનું સ્વરૂપ શું છે, શા માટે મને દુઃખ પડે છે, શા માટે મારાથી બીજાને દુઃખ અપાય છે, કેમ એનો અંત જડતો નથી, ક્યાં થાપ ખાઈ જાવ છું, સુખ માટે બધી જ દોડધામ કરું છું પણ કેમ દુઃખના કિનારેથી ખસતો નથી, એ બધા જ પ્રશ્નોના સમાધાન પ્રાપ્ત થઈ જશે.

જ્ઞાની કૃપાએ આપણને શુદ્ધાત્મા પદ તો પ્રાપ્ત થઈ ગયું પણ જ્યાં સુધી વ્યવહાર શુદ્ધ ના થાય ત્યાં સુધી મોક્ષ નથી. શુદ્ધ વ્યવહારના આધાર પર જ મોક્ષ છે. આદર્શ વ્યવહાર એવો જોઈશે કે જે કોઈનેય દુઃખદાયી ના થાય, નિશ્વય અને વ્યવહારમાં કશેય કાચું ના રહી જાય. વ્યવહારમાં કાચું રહે તો ભૂલ કહેવાય. વ્યવહાર ચોખ્ખો-નિર્મળ જોઈએ. રાગ-દ્વેષ રહિત, સહેજે કોઈને દુઃખ ના થાય એવો વ્યવહાર પોતાના જ નિશ્વયને ટેકો આપશે અને મોક્ષમાર્ગ પૂરો કરાવશે.

પ્રસ્તુત સંકલનમાં દાદાશ્રી, કોઈ પણ પરિસ્થિતિમાં આપણે કોઈનેય પણ કેમ કરીને દુઃખદાયી ના થઈ પડીએ એની પારિણામિક સમજ જ બહોળી કરે છે. અને તે સમજી સમજીને આ સમજણ મહાત્માઓના જીવનમાં એક સમયે, વર્તનમાં ચોક્કસ પ્રવર્તના થશે, એ જ દિલની અભ્યર્થના.

જય સચ્ચિદાનંદ.

બીજાને દુઃખ આપવું, એ કેટલું જોખમી ?

અહંકાર ઘવાયાના દુઃખો છે સંસારમાં

પ્રશ્નકર્તા : આપણે ગમે તેટલું કરીએ, પણ સામો ના સુધરે તો શું કરવું ?

દાદાશ્રી : પોતે સુધર્યા નથી ને લોકોને સુધારવા ગયા. તેનાથી લોક ઊલટા બગડ્યા. સુધારવા જાય કે બગડે. પોતે જ બગડેલો હોય તો શું થાય ? આપણે સુધરવું સહેલામાં સહેલું છે ! આપણે સુધર્યા ના હોઈએ ને બીજાને સુધારવા જઈએ, એ ‘મીનિંગલેસ’ (અર્થહીન) છે. ત્યાં સુધી આપણા શબ્દ પણ પાછા પડે. તમે કહો કે ‘આવું ના કરીશ.’ ત્યારે સામો કહે કે ‘જાવ, અમે તો એવું જ કરવાના !’ આ તો સામો ઊલટો વધારે અવળો ફર્યો !

આમાં અહંકારની જરૂર જ નથી. અહંકારથી સામાને દબડાવીને કામ કરાવવા જઈએ, તો સામો વધારે બગડે. જ્યાં અહંકાર નથી, ત્યાં તેને બધા કાયમ ‘સિન્સિઅર’ (સંનિષ્ઠ) હોય, ત્યાં ‘મોરાલિટી’ (નૈતિકતા) હોય. સાચો માણસ ‘હું સાચો છું’ કરીને બધાને બહુ દુઃખ આપે. એટલે એને વાગ્યાનું દુઃખ નથી, અહંકાર ઘવાયો તેનું દુઃખ છે.

આપણો અહંકાર ના હોવો જોઈએ. અહંકાર બધાને ખૂંચે છે. નાના છોકરાનેય જરાક ‘અક્કલ વગરનો’, ‘મૂરખ’, ‘ગધેડો’ એમ જો કહ્યું તો તેય વાંકો ફાટે ને ‘બાબા, તું બહુ ડાહ્યો છે’ કહીએ કે તરત એ માની જાય.

પ્રશ્નકર્તા : અને એને ‘બહુ ડાહ્યો’ કહીએ તોય એ બગડશે ?

દાદાશ્રી : ‘મૂરખ’ કહીએ તોય બગડી જાય ને ‘બહુ ડાહ્યો’ (એવું વધારે પડતું) કહીએ તોય બગડી જાય. કારણ કે ‘ડાહ્યો’ કહીએ એટલે એના અહંકારને ‘એન્કરેજમેન્ટ’ (પ્રોત્સાહન) મળી જાય અને ‘મૂરખ’ કહો તો ‘સાયકોલોજિકલ ઈફેક્ટ’ (માનસિક અસર) અવળી પડે. ડાહ્યા માણસને 25-50 વખત ‘મૂરખ’ કહો તો તેના મનમાં વહેમ પડી જશે કે ‘ખરેખર શું હું ગાંડો હોઈશ ?’ એમ કરતો કરતો એ ગાંડો થઈ જાય. એટલે હું ગાંડાનેય ‘તારા જેવો ડાહ્યો આ જગતમાં કોઈ નથી’ એમ કરી કરીને ‘એન્કરેજમેન્ટ’ આપું છું. આ જગતમાં હંમેશાં ‘પોઝિટિવ’ લો, ‘નેગેટિવ’ તરફ ચાલશો નહીં. ‘પોઝિટિવ’નો ઉપાય થશે. હું તમને ‘ડાહ્યો’ કહું ને જો વધારે પડતો અહંકાર તમારો ખસ્યો, તો મને તમને થાપોટ મારતાય આવડે, નહીં તો એ અવળે રસ્તે ચાલે અને એને ‘એન્કરેજ’ (પ્રોત્સાહિત) ના કરીએ તો એ આગળ વધેય નહીં.

‘અહંકાર નુકસાનકર્તા છે’ એવું જાણી લો, ત્યારથી જ બધું કામ સરળ થાય. અહંકારનું રક્ષણ કરવા જેવું નથી. અહંકાર પોતે જ રક્ષણ કરી લે એવો છે. આ અહંકાર ના હોત તો દુનિયા આવી ગાંડી ના હોત. અહંકારને લઈને દુઃખો છે. કામ કર્યે જાવ તેનો વાંધો નથી, પણ અહંકાર નકામા તોફાનો માંડે છે.

બોલતા પહેલા વિચાર કરજો

આ પેલા તાર વાગે છે ને, તે એક જ તાર ખખડાવો તો કેટલા અવાજ થાય છે મહીં ?

પ્રશ્નકર્તા : ઘણા.

દાદાશ્રી : એક જ ખખડાવો તોય ? એવું આ એક જ શબ્દ બોલવાનો થયો, તેની મહીં કેટલાંય શબ્દો ઊભા થઈ જાય છે. એને ભગવાને ‘અધ્યવસન’ કહ્યા. અધ્યવસન એટલે (શબ્દો) ના બોલવા હોય, તોય તે ઊભા થઈ જાય બધા. પોતાને બોલવાનો ભાવ થઈ ગયોને, એટલે પેલા (શબ્દો) એની મેળે બોલાઈ જાય. જેટલી શક્તિ હોયને તે બધી ઊભી થઈ જાય, ઈચ્છા નથી તોય ! અધ્યવસન એટલા બધા ઊભા થાય કે કોઈ દહાડો મોક્ષમાં જવા ના દે. તેથી તો અમે અક્રમ વિજ્ઞાન મૂક્યું, કેવું સુંદર અક્રમ વિજ્ઞાન છે ! કોઈ પણ બુદ્ધિશાળી માણસ આ પઝલ(કોયડા)નો અંત લાવી દે એવું વિજ્ઞાન છે.

‘તમે નાલાયક છો’ એવું બોલીએને, એ શબ્દ સાંભળીને એને તો દુઃખ થયું જ. પણ આના જે પર્યાય ઊભા થાય, તે તમને બહુ દુઃખ આપે અને તમે કહો, ‘બહુ સારા માણસ, તમે બહુ ભલા માણસ છો’, તો તમને મહીં શાંતિ આપશે. તમારું બોલેલું તે પેલાને શાંતિ થઈ ગઈ ને તમનેય શાંતિ. એટલે આ જ ચેતવાની જરૂર છે ને !

દુનિયામાં કોઈને ‘અક્કલ વગરનો’ કહેશો નહીં, ‘તું ડાહ્યો છે’ એવું જ કહેજો તો તમારું કામ થશે.

પ્રશ્નકર્તા : આપણે પાંચ મિનિટ સુધી કડક બોલ્યા હોઈએ, પછી એની પાછળની ઈફેક્ટો બીજી પચાસ મિનિટ ખાઈ જાય છે.

દાદાશ્રી : એ તો ખાઈ જાયને ! તમે એક શબ્દ બોલો કે ‘આ નાલાયક છે’, તો ‘લાયક’નું વજન એક રતલ હોય ને ‘નાલાયક’નું વજન ચાલીસ રતલ હોય છે. એટલે ‘લાયક’ બોલશો એના સ્પંદન બહુ ઓછા થશે, ઓછું હલાવશે અને ‘નાલાયક’ બોલશો તો ચાલીસ રતલ હલાહલ કરશે. બોલ બોલ્યા એના પરિણામ !

પ્રશ્નકર્તા : એટલે ચાલીસ રતલનું પેમેન્ટ ઊભું.

દાદાશ્રી : છૂટકો જ નહીંને !

પ્રશ્નકર્તા : પછી અમારે બ્રેક કેવી રીતે લાગે ? એનો ઉપાય શું ?

દાદાશ્રી : ‘આ વાણી ખોટી છે’ એવું લાગે એટલે દહાડે દહાડે ફેરફાર થતો જાય.

પ્રશ્નકર્તા : એ પણ મશીનગન ફૂટી ગયા પછી ખોટી લાગે છે.

દાદાશ્રી : ના, પણ પછીય ખોટી લાગે છે ને ? એમ કરતા કરતા રાગે આવશે.

પ્રશ્નકર્તા : પણ એ રાગે આવવાનું ક્યારે પતશે ?

દાદાશ્રી : અરે, પેલું તો અબજ અવતારેય ઠેકાણું ના પડે ને આ તો થોડા વખતમાં જ ઠેકાણું પડી જશે.

એટલે આપણે તો કહીએ છીએ કે ‘ભઈ, બોલતી વખતે પુરુષાર્થમાં રહેવું. બોલતા પહેલા વિચાર કરજો. અને પુરુષાર્થ છે, તમે પુરુષાર્થ ધર્મમાં આવેલા છો, કંઈ કરી શકો એમ છો.’

દુઃખદાયી વાણીનું કારણ

પ્રશ્નકર્તા : આ વાણી એવી હોવાનું કારણ શું ?

દાદાશ્રી : રોફ પાડવા હારુ ! બીજા ઉપર રોફ પડી જાય ને, એટલા હારુ.

આ ‘બોલ’ એક એવી વસ્તુ છે કે એ જો સચવાઈ ગયો તો બધા જ મહાવ્રત આવી જાય ! કો’કની ઉપર નાખો તે બધી જ વાણી છેવટે તમારી ઉપર જ પડે છે. માટે એવી શુદ્ધ વાણી બોલો કે શુદ્ધ વાણી જ તમારી ઉપર પડે.

સામાને દુઃખ થાય એવી વાણી આપણે બોલીએને, ત્યારે તે વાણી જ પોતે પરમાણુને ખેંચે છે. એ પરમાણુને દુઃખનો રંગ લાગી જાય છે. પછી એ પરમાણુ જ્યારે ફળ આપવા માંડે ત્યારે દુઃખ જ આપે એ. બીજી વચ્ચે કોઈની ઘાલમેલ છે નહીં.

વિનય રાખે તો દુઃખ ના અડે

દાદાશ્રી : દુઃખ થાય એવી વાત શા માટે કોઈને કહેવી જોઈએ ?

પ્રશ્નકર્તા : પણ એ ખોટું બોલતા હોય કે ખોટું કરતા હોય તોય આપણે બોલવું નહીં ?

દાદાશ્રી : બોલવાનું. ‘આમ ન થાય તો સારું, આવું ન થાય તો સારું.’ એવું કહેવાય આપણે. પણ આપણે એમના બૉસ (ઉપરી) હોય, એવી રીતે વાત કરીએ છીએને, તેથી ખોટું લાગે છે. ખરાબ શબ્દો હોય એને વિનયથી કહેવા જોઈએ.

પ્રશ્નકર્તા : હાથ-પગ સાજા હોવા છતાં ભીખ માગે તો એને દાન આપવાનો ઈન્કાર કરવો એ ગુનો છે ?

દાદાશ્રી : દાન ન આપે તેનો વાંધો નથી. પણ એને તમે કહો કે ‘આ મજબૂત પાડા જેવો થઈને શું આવું કરે છે ?’ એવું આપણાથી ના જ કહેવાય. તમે કહો કે ‘ભઈ, મારે અપાય એવું નથી.’

સામાને દુઃખ થાય એવું ન જ બોલવું જોઈએ. વાણી એવી સારી રાખવી કે સામાને સુખ થાય. વાણી તો મોટામાં મોટું ધન છે તમારી પાસે. પેલું ધન તો ટકે કે નાયે ટકે, પણ વાણી-ધન તો કાયમને માટે ટકે. તમે સારા શબ્દ બોલો તો સામાને આનંદ થાય. એને તમે પૈસા ના આપો તો વાંધો નહીં, પણ સારા શબ્દો બોલોને !

આપણે કહીએ કે ‘જ્યાં ને ત્યાં માગતા ફરો છો ? કઈ જાતના માણસો છો ?’ એવું ના બોલાય. દરેકને માગવાનું કોઈ વખત આવે. વખત ના આવે ? માટે વિનયપૂર્વક, એને દુઃખ ના થાય એ રીતે કહેવું જોઈએ.

પરમ વિનયની પરિભાષા

પરમ વિનયથી મોક્ષ છે અને આ સંસારમાંય પરમ વિનયથી તો બહુ સુખી થઈશ. એના જેવો સુખી થવાનો કોઈ રસ્તો જ નથી. પરમ વિનય એટલે શું ? કોઈને આપણાથી કિંચિત્માત્ર દુઃખ ના થાય એ જ પરમ વિનય છે આપણો. આ કાળમાં કોઈને દુઃખ આપશો નહીં. કોઈ દુઃખ આપે તો આપણે જમે કરી લેવું, ફરી ધીરવાની ઈચ્છા નથી ને ?

પ્રશ્નકર્તા : જરાય નહીં.

દાદાશ્રી : એ તો પાછા તમે કોઈકને ધીરી બેસશો. કોઈક કશું આપે તે ઘડીએ પાછા ધીરી દેશે ! કારણ કે સ્વભાવ કંઈ જતો રહ્યો છે^? જાગૃતિ રહે નહીંને ! મેં કહ્યું હોય તે ધીર્યા પછી યાદ આવે, પછી તમારે ભૂલ થઈ એનો પસ્તાવો કરવો પડે.

અંતે ઊંધાનો અનુભવ તો થશે જ

પ્રશ્નકર્તા : પણ આવું માણસ સમજતા નથી કે જેવું આપીશું એવો સામો બદલો મળશે. લોકો તો ‘પીછે દેખા જાયેગા’ એવું સમજતા હોય છે.

દાદાશ્રી : પણ એને એક દહાડો તો અનુભવ થશે ને ? આપણે કહીએ કે ‘અલ્યા, અહીં ના જશો. અહીં આગળ જરાક લપસણું છે.’ ત્યારે પેલો કહેશે કે ‘ના, એ તો બધું હું પહોંચી વળું એવો છું.’ અને પછી પડે, એક ફેરો કેડો તૂટી જાય તો એની મેળે જ જ્ઞાન આવે ને^!

આપણે લોકોને દુખાડ્યું ને, તે તેના પરિણામે આપણને દુઃખ મળશે. લોકોને સુખ આપો તો તમને સુખ મળશે. હવે આ સુખ ને દુઃખ એ ખરેખર સુખ-દુઃખ જ નથી, પણ તોય શાંતિ છે. તમે લોકોને શાંતિ આપશો તો તમને શાંતિ મળશે, અશાંતિ આપશો તો અશાંતિ મળશે. આટલા બે જ વેપાર છે અને ત્રીજો વેપાર, શાંતિ અને અશાંતિથી મુક્ત થઈને કાયમના મુક્ત થવું હોય તો પછી રિયલમાં આવી જાવ. જો કદી આપણને કોઈ અશાંતિ આપે તો આપણે એ જમે કરી દેવી. કારણ કે પહેલાં આપેલી હશે તો જ આપી જાયને ! એ જમે કરી દેવી અને નવી ધીરવી નહીં અને શાંતિનો જ વેપાર કરવો તો તમને કોઈ દહાડોય અશાંતિ આવશે જ નહીં. જો તમે સુખ જ આપ્યા કરો તો પછી તમને વર્ષે, બે વર્ષે, પાંચ વર્ષે બધા સુખ આપવાની શરૂઆત કરશે. તમે કોઈને દુઃખ જ નહીં આપો તો બધું સુખ જ તમારી પાસે આવે.

લોકો દુઃખ નથી આપતા ?

પ્રશ્નકર્તા : આપે છે.

દાદાશ્રી : કારણ કે આપણે એમને દુઃખ આપીએ છીએ. એટલે એ દુઃખ આપે ને ! આ વ્યવહાર છે. હવે તમે જેવો વ્યવહાર રાખો એવો એ રાખે. તમે સુખ આપવાનો વ્યવહાર રાખો તો એ તમને સુખ આપે, તમે દુઃખ આપવાનો વ્યવહાર રાખો તો દુઃખ આપે, તો શું આપવું જોઈએ ?

પ્રશ્નકર્તા : સુખ જ આપવું જોઈએ.

દાદાશ્રી : હા, બધા જો સુખ આપતા થઈ જાય તો પછી આ દુઃખની ભાંજગડ જ મટી જાય ને ! સુખ તો માણસ નક્કી કરે તો સામા માટે ધક્કો ખાઈનેય એને સુખ અપાય. સામાને પોસ્ટમાંથી કાગળ લાવી આપે, એમનો કાગળ પોસ્ટમાં નાખી આપે, ઘેર શાક લાવી આપે, તેય બધાને સુખ લાગે.

વિચારને ફેરવવો એ આપણો પુરુષાર્થ

દુશ્મનને માટે પણ ખરાબ વિચાર ના આવે. દુશ્મનને માટે પણ કેમ એનું કલ્યાણ થાય એવો વિચાર આવે. ખરાબ વિચાર આવવો એ પ્રકૃતિ ગુણ છે, પણ તેને ફેરવવો એ આપણો પુરુષાર્થ છે. તમે સમજી ગયા કે ના સમજી ગયા આ પુરુષાર્થની વાત ?

અહિંસક ભાવવાળો તીર મારે તો જરાય લોહી ના નીકળે અને હિંસક ભાવવાળો ફૂલ નાખે તોય પેલાને લોહી નીકળે. તીર અને ફૂલ એટલાં ઈફેક્ટિવ નથી, જેટલી ઈફેક્ટિવ ભાવના છે ! એટલે અમારા એક-એક શબ્દમાં ‘કોઈને દુઃખ ન થાવ, જીવમાત્રને દુઃખ ન થાવ’ એવો ભાવ અમને નિરંતર રહ્યા કરે છે. જગતના જીવમાત્રને આ મન-વચન-કાયા થકી કિંચિત્માત્ર પણ દુઃખ ન હો, એ ભાવનામાં જ ‘અમારી’ વાણી નીકળેલી હોય. વસ્તુ કામ નથી કરતી, તીર કામ નથી કરતા, ફૂલાં કામ નથી કરતા પણ ભાવ કામ કરે છે.

ના ઉગામશો એ હથિયાર કોઈ પ્રત્યે

આ ‘અક્રમ વિજ્ઞાન’ તો શું કહે છે ? મનથીય હથિયાર ઊગામવાનું ના હોય, તો પછી લાકડી શી રીતે ઊગામાય ? આ દુનિયામાં કોઈ પણ જીવ, નાનામાં નાના જીવને માટે પણ મેં મનથી હથિયાર ઉગામ્યું નથી કોઈ દહાડોય, તો પછી બીજું તો ઉગામું શી રીતે ? વાણી જરા કકરી નીકળી જાય કોઈ વખત, વરસ દહાડામાં એકાદ દહાડો સહેજ કકરી નીકળી જાય. આ જેમ ખાદી ને રેશમીમાં ફેર હોય છેને, ખાદી કેવી હોય ? એવી સહેજ કકરી વાણી નીકળી જાય કોઈક દહાડો. બાકી, વાણીયે ઉગામી નથી કોઈ દહાડો.

આ વર્લ્ડમાં કોઈ પણ જીવ, એક નાનો જીવ હોય, આ વીંછી હમણે કરડીને ગયો હોય તોય પણ એની પર હથિયાર અમે ઉગામ્યું ના હોય ! એ તો એની ફરજ બજાવી જાય છે. એ ફરજ ના બજાવે તો આપણો છૂટકારો ના થાય. એટલે કોઈ પણ જીવ જોડે મન ઉગામ્યું નથી કોઈ દહાડોય, એની ખાતરી ! એટલે માનસિક િંહસા ક્યારેય નથી કરી. નહીં તો મનનો સ્વભાવ છે, કશું આપ્યા વગર રહે નહીં.

જગતથી છૂટવા ખપે સંપૂર્ણ ભાવઅિંહસા

પ્રશ્નકર્તા : તમે તો સમજી ગયા હશો કે આ હથિયારનું કામ જ નથી.

દાદાશ્રી : હા, હથિયાર કામનું જ નથી. આ હથિયારની જરૂરિયાત છે, એ વિચાર જ નથી આવ્યો. અમે (કષાય રૂપી) તલવાર જ્યારથી જમીન પર મૂકી ત્યારથી ઉઠાવી નથી. સામો શસ્ત્રધારી હોય તોય પણ અમે શસ્ત્ર ધારણ ન કરીએ. અને છેવટે એ જ રસ્તો લેવો પડશે. જેને આ જગતમાંથી ભાગી છૂટવું છે, અનુકૂળ આવતું નથી, તેને છેવટે એ જ રસ્તો લેવો પડશે, બીજો રસ્તો નથી.

એટલે એક અિંહસા સિદ્ધ કરી દે તો બહુ થઈ ગયું. માટે બીજા કોઈને દુઃખદાયી ન થઈ પડે એવાં ક્રોધ-માન-માયા-લોભ હોવા જોઈએ. બીજા કોઈનેય દુઃખદાયી નહીં, પોતાને જ દુઃખ કર્યા કરે એટલી લિમિટ હોય ત્યાં સુધી મોક્ષમાર્ગ છે.

માનસિક ઘા પર પટ્ટીય ના લાગે

સંસારમાં વઢવાની વાત જ ના કરવી, એ તો રોગ કહેવાય. વઢવું એ અહંકાર છે, ખુલ્લો અહંકાર છે. એ ગાંડો અહંકાર કહેવાય, તે મનમાં એમ માને કે ‘મારા વગર ચાલશે નહીં.’ કોઈને વઢવામાં તો આપણને ઊલટો બોજો લાગે, નર્યું માથું પાકી જાય. વઢવાનો કોઈને શોખ હોય ખરો ?

ઘરમાં સામા પૂછે, સલાહ માગે તો જ જવાબ આપવો. વગર પૂછ્યે સલાહ આપવા બેસી જાય એને ભગવાને ‘અહંકાર’ કહ્યો છે. ધણી પૂછે કે ‘આ પ્યાલા ક્યાં મૂકવાના છે ?’ તો બઈ જવાબ આપે કે ‘ફલાણી જગ્યાએ મૂકો.’ તે આપણે ત્યાં મૂકી દેવા. તેને બદલે એ ધણી કહે કે ‘તને અક્કલ નથી, ક્યાં મૂકવાનું તું કહે છે ? એટલે બઈ કહે કે ‘તમારી અક્કલથી મૂકો.’ હવે આનો ક્યાં પાર આવે ? આ સંયોગોની અથડામણ છે ! તે ભમરડા (માણસો) ખાતી વખતે, ઊઠતી વખતે અથડાયા જ કરે ! ભમરડા પછી ટીચાય છે ને છોલાય છે ને લોહી નીકળે છે ! આ તો માનસિક લોહી નીકળવાનું ને ! પેલું લોહી નીકળતું હોય તો તો સારું, પટ્ટી મારીએ એટલે બેસી જાય. આ માનસિક ઘા પર તો પટ્ટીય ના લાગે કોઈ !

અહંકારના પાસથી ઊભા છે દુઃખો

વઢવાથી માણસ ચોખ્ખું કહે નહીં ને કપટ કરે. આ બધા કપટ વઢવાથી જ જગતમાં ઊભા થયા છે. વઢવું એ મોટામાં મોટો અહંકાર છે, વઢેલું કામનું ક્યારે કહેવાય ? પૂર્વગ્રહ વગર વઢે તે.

કોઈ જગ્યાએ સારી વાણી બોલતા હશોને કે નહીં બોલતા હો ? ક્યાં આગળ બોલતા હશો ? જેમને બૉસ (ઉપરી) માને છે, તે બૉસ જોડે સારી વાણી બોલવાના ને અન્ડરહેન્ડ (આશ્રિત)ને ઝાપટ ઝાપટ કરવાના. આખો દહાડો ‘તેં આમ કર્યું, તેં આમ કર્યું’ કહ્યા કરે. તે એમાં આખી વાણી બગડી જાય છે. એ અહંકાર છે એની પાછળ. જે બોલીએ છીએ, તે અહંકાર છે. આ જગતમાં કશું જ કહેવાય એવું નથી. જગત બધું નિયંત્રણવાળું છે.

અમે વઢીએ તોય રાગ-દ્વેષ ના થાય, એ ચોક્કસ ! ભગવાને રાગ-દ્વેષનો વાંધો ઊઠાવ્યો છે અને સામાને દુઃખ થાય એ ના ચાલે. કંઈ દુઃખ થાય એવું તમને કશું લાગ્યું છે અમારા શબ્દોથી ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : આ બધું હું બોલું છું ને, તે એની માટે એક બેન શું કહે છે ? ‘દાદા બોલે છે કડક, પણ એની પાછળ ઝનૂન નથી.’ તમને સમજાયું એ, કે ઝનૂન નથી એવું ?

પ્રશ્નકર્તા : પ્રેમ છે.

દાદાશ્રી : હા, પ્રેમ છે. ઝનૂન હોય ત્યાં સાંભળવાની જરૂર નહીં. ઝનૂન તો ઊઘાડો અહંકાર છે. હિંસકતામાં ઝનૂન હોય અને અહિંસકતામાં ઝનૂન ના હોય. અમારી વાણી ગમે એટલી કડક હોય, પણ મન ન તોડે.

કોઈ જીવનો અહ્મ ના દુભાવવો

આપણે કોઈનો અહંકાર ના દુભાય તેમ રાખવું. કોઈનો અહંકાર દુભાવવો ના જોઈએ. અહંકાર દુભાય તો જુદો પડી જાય માણસ, પછી ફરી ભેગા ના થાય. આપણે એવું કોઈને ના કહેવું જોઈએ.

પ્રશ્નકર્તા : દાદા, આ અહમ્ દુભાય એટલે શું છે ?

દાદાશ્રી : અહમ્ દુભાયો એટલે શું કે એ બિચારો કંઈક બોલવા જાય ને આપણે કહીએ, ‘બેસ, બેસ. નથી બોલવાનું.’ એવું એના અહંકારને દુભાવવો ના જોઈએ અને ધંધામાં તો અહમ્ દુભાય એ ખરેખર અહમ્ નથી દુભાતો, એ તો મન મહીં દુભાય છે.

પ્રશ્નકર્તા : પણ અહમ્ એ કંઈ સારી વસ્તુ નથી, બરોબર ? તો પછી એને દુભાવવામાં શો વાંધો ?

દાદાશ્રી : એ પોતે જ અત્યારે અહંકાર છે, માટે એ ના દુભાવાય. એ પોતે જ છે બધું. એ જે કરે તે ‘હું જ છું આ.’ (એમ માને છે.) એટલે દુભાય નહિ. એટલે તમારે ઘરમાંય કોઈને વઢવું-કરવું નહિ. ‘તું યુઝલેસ છે, તું આમ છે, તેમ છે’ એવું ઉતારી ના પાડવું જોઈએ. હા, વઢીએ ખરા. વઢવામાં વાંધો નથી, પણ જે તે રસ્તે અહંકાર ના દુભાવવો જોઈએ. માથા પર વાગે તેનો વાંધો નથી, પણ એના અહંકાર ઉપર ના વાગવું જોઈએ. કોઈનો અહંકાર ભગ્ન ના કરવો જોઈએ. કોઈનોય અહંકાર ભગ્ન કરીને આપણે સુખી થઈએ જ નહીં. અહંકાર તો એનું જીવન છે !

મજૂર હોય એનોય તિરસ્કાર નહિ કરવો. તિરસ્કારથી એનો અહંકાર દુભાય. આપણને એનું કામ ના હોય તો આપણે તેને કહીએ, ‘ભાઈ, મને તારું કામ નથી’ અને એનો જો અહંકાર દુભાતો ના હોય તો પાંચ રૂપિયા આપીનેય પણ એને છૂટો કરવો. પૈસા તો મળી આવશે પણ એનો અહમ્ ના દુભાવવો જોઈએ. નહિ તો એ વેર બાંધે, જબરજસ્ત વેર બાંધે ! આપણું શ્રેય થવા ના દે, વચ્ચે આવે.

દુઃખ દઈને ન સુધારાય કોઈને

પ્રશ્નકર્તા : હું આપને એ જ કચાશની વાત કહેવા માગતો હતો કે જ્યારે કોઈની બિલીફ તૂટે છે, એ વખતે એનો અહમ્ દુભાય છે ?

દાદાશ્રી : આપણને બિલીફ તોડતા ના આવડે ને એને દુઃખ થાય, તો તોડાય નહીં.

હું બિલીફ જ તોડી આપું છું ને કે તમે ચંદુભાઈ ન હોય. એટલે એમ કરતા કરતા એની મોટી-જબરજસ્ત કેટલાય અવતારની બિલીફ, ફ્રેકચર થવા માંડે. એ તો એક્ઝેક્ટનેસ હોવી જોઈએ, નહીં તો એને બહુ દુઃખ થાય. ભગવાન વિશેની બિલીફ હું તોડું છું. માટે ‘ભગવાન નથી’ એવું કહું તો માર્યો ગયો. પછી એને સમજાવતા આવડવું જોઈએ કે કેવી રીતે નથી અને કેવી રીતે છે. એ બધું હોવું જોઈએ. અને કોને માટે ભગવાન છે અને ભગવાન કોને માટે નથી, એવી બધી રીતથી સમજણ પાડું, એના મનને સહેજે પણ દુઃખ ના થાય. આપણું એકુંય હથિયાર વાગે નહીં. આપણું હથિયાર આપણને વાગે, પણ એને ના વાગે, એ તારે ખાસ જાણવું જોઈએ.

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : એને ઑપરેશન (બોધકળા) કહેવાય છે. થોડી થોડી કચાશ હોય તો કાઢી નાખવી. નવી ક્ષમાપના લઈ લેવી જોઈએ. સામા માણસને કિંચિત્માત્ર દુઃખ ના થવું જોઈએ, એ ધ્યેયપૂર્વકનું જીવન હોય.

દુઃખ કરવા માટે આપણે આવ્યા નથી. કંઈ બને તો (બીજાને) સુખ થાઓ, એ આપણો ધ્યેય છે, અગર તો (આપણા થકી) કોઈને દુઃખ ન હોવા જોઈએ. એટલે અણસમજણથી, આપણી ભૂલથી જ સામાને દુઃખ થાય. એની ભૂલથી થતું હોય તે પણ આપણને ન હોવું જોઈએ. એની ભૂલથી, એટલે એ ભૂલવાળો છે જ, એને તમે સુધારવા નીકળ્યા છો તો એને દુઃખી કર્યા વગર જ સુધારવો જોઈએ.

અહંકારથી દુઃખ થાય છે

આ રાજા શું કહે છે કે મેં લાખો માણસોને મારી નાખ્યા. રાજા તો ખાલી અહંકાર જ કરે છે, ગર્વરસ લે છે. એ તો જે લડાઈ ઉપર હતા, તેમણે માર્યા. રાજા વગર કામની જોખમદારી લે છે ! માર્યા હોય પેલા લડવૈયાએ પણ રાજા કહે કે મેં માર્યા. ગાંડું જ બોલે છે. એ લોકોને ફળ કેવું મળે છે ? આનાથી મારનાર છે એ છૂટી જાય. નિયમ શું છે કે જે અહંકાર વહોરી લે, તેના માથે જોખમદારી થાય. ‘મેં માર્યું’ ત્યારે કહે કે લે (ફળ ભોગવ). હવે આખું ગુપ્ત તત્ત્વ લોકો સમજે નહીં ને !

પ્રશ્નકર્તા : ને જોખમદારી તો વિચારે જ નહીં.

દાદાશ્રી : ભાન જ ન હોયને ! આ તો એમ જ જાણે કે ઓહોહો ! આ દુનિયામાં મારી આબરૂ વધી ગઈ. હા, એક બાજુ આબરૂ વધી ગઈ, પણ એનું ફળ આવશે, તે તારે એકલાને જ ભોગવવાનું. અહંકાર જે કરે તેને એનું ફળ મળે. થતું હોય એની મેળે, કર્મના ઉદયે એમને રાજા બનાવ્યા, પણ એ અહંકાર કરે, ‘મેં કર્યું !’ કે માર પડ્યો. કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવો અહંકાર હોવો જોઈએ. એ ‘પોઝિટિવ’ અહંકાર કહેવાય.

કષાયો જ પોતાના દુશ્મન

પોતાના કષાય જ પોતાના દુશ્મન છે, બીજું કોઈ બહાર દુશ્મન છે જ નહીં અને એ કષાય જ એને મારી રહ્યા છે. એને બહારનો કોઈ મારતો નથી. ખરેખર ગુનેગાર આપણા કષાય છે.

મનુષ્યોને આ ક્રોધ-માન-માયા-લોભ એક ક્ષણવાર જંપીને બેસવા ના દે. નિરંતર તરફડાટ, તરફડાટ, તરફડાટ ! એવું તમે જોયેલું ? આ માછલું તરફડે ખરું ? પાણીની બહાર કાઢીએ ત્યારે માછલું તરફડે, એવું આ મનુષ્યો વગર બહાર કાઢ્યે તરફડે છે ! ઘરમાં હોય તોય તરફડાટ, ઑફિસમાં જાય તોય તરફડાટ, આખો દહાડો તરફડાટ ! હવે એ તરફડાટ મટી જાય તો કેટલો આનંદ રહે ! જો, અમારે તરફડાટ મટી ગયો છે તો કેવી કેવી વાતો નીકળે છે ને ! જગત આખાને તરફડાટ, તરફડાટ, તરફડાટ રહ્યા કરવાનો. આમને તો સારું જમવાનું હોય તોય ખાતી વખતે પણ મહીં તરફડાટ બંધ નથી થતો. બોલો, શી રીતે જીવાય છે એય અજાયબી છે ને ?

બુદ્ધિથી મારે છે આજનો માનવ

એટલે મેં પુસ્તકમાં લખ્યું છે કે આ નવી જાતની જીવાત નીકળી છે, માટે ચેતજો. કારણ કે કોઈ કાળમાં આવી બુદ્ધિથી લૂંટ ચલાવી નહોતી. બુદ્ધિ એટલે પ્રકાશ, સામો માણસ દુઃખી થતો હોય તો એને પ્રકાશ આપવો, સમજણ પાડીએ, એને માટે પૈસા ના પડે. આ તો બુદ્ધિથી પૈસા પડાવ્યા. પહેલા સારો કાળ હતો ત્યારે પોતાની વધારે બુદ્ધિથી બધાને હેલ્પ કરતા’તા, પ્રકાશ આપતા હતા.

અત્યારે તો ભગવાનના ફોલોઅર્સ (અનુયાયી) જ બુદ્ધિથી મારી રહ્યા છે બધાને. અને બુદ્ધિથી મારે તે ભગવાનના સાચા ફોલોઅર્સ નહીં. બુદ્ધિ એ પ્રકાશ છે. એ બીજાને ફ્રી ઑફ કૉસ્ટ (વિના મૂલ્યે) આપવાની છે. એ બુદ્ધિથી જ મારે છે. એવું સાંભળવામાં આવ્યું છે, બુદ્ધિથી મારે એવું ? વધારે બુદ્ધિવાળો ઓછી બુદ્ધિવાળાનો લાભ ઊઠાવી લે, એવું જાણો છો તમે ?

પ્રશ્નકર્તા : હકીકત છે. પહેલેથી ચાલે છે, અનાદિ કાળથી ચાલે છે.

દાદાશ્રી : ભગવાનના વખતમાં ન હતું આ. આ પચ્ચીસસો વર્ષમાં જ આ બધું થયું. બુદ્ધિથી મારે, એના કરતા તલવારથી માર્યો હોત તો વાંધો નહીં.

પ્રશ્નકર્તા : જેની પાસે જે હોય એનાથી મારે, બુદ્ધિ હોય તો બુદ્ધિથી મારે.

દાદાશ્રી : નહીં, તલવારથી મારે તો ભગવાન કહે છે કે એનો કો’ક દહાડો નિકાલ થશે અને બુદ્ધિનો મારેલો તો એનો નિકાલ જ નથી. કારણ કે હથિયારનો દુરુપયોગ કર્યો. તલવાર તો મારવા માટેનું હથિયાર છે અને આ બુદ્ધિ પ્રકાશ આપવા માટે છે. તેને બદલે પ્રકાશનો દુરુપયોગ કર્યો, ભયંકર દુરુપયોગ કર્યો. આ જમાનામાં બુદ્ધિથી દુરુપયોગ કરતા હશે ખરા કોઈ ?

પ્રશ્નકર્તા : કરતા હશે.

દાદાશ્રી : ઓછી બુદ્ધિવાળાનો લાભ ઊઠાવી લે કે ના ઊઠાવે ? આ વેપારીઓ શેનો લાભ ઉઠાવે ? જે ભોળો હોય તેનો ? જે કાટ (હોશિયાર) હોય તેનો લાભ ઊઠાવે કે ભોળાનો ઊઠાવે ? બધા ભોળાનો લાભ ઊઠાવે.

બુદ્ધિથી મારવાનું પરિણામ શું ?

પ્રશ્નકર્તા : અણસમજણમાં જે થયું હોય તે જુદી વાત છે, પણ સમજણ હોવા છતાં કરે તો બહુ જવાબદારી.

દાદાશ્રી : તેથી અમે કહ્યું કે આ બુદ્ધિથી મારશો તો, વધારે બુદ્ધિથી ઓછી બુદ્ધિવાળાનો લાભ ઉઠાવશો તો એ આઠમી નર્ક આવવાની છે. નર્કો સાત જ હતી પણ નવી જ જાતનું ભોગવવાનું થયું. કારણ કે કોઈ દહાડો બુદ્ધિનો દુરુપયોગ કરેલો જ નહીં. બુદ્ધિનો દુરુપયોગ જો કોઈ કાળમાં થયો હોય તો તે આ કાળમાં. એટલે અમારે પુસ્તકમાં લખવું પડ્યું કે આઠમી નર્ક આવશે.

બુદ્ધિથી માર માર કર્યુંને, તે નવી પ્રકારની નર્કગતિમાં જવાનું થયું આ. પહેલા બુદ્ધિથી મારતા નહોતા, કહીને મારતા’તા કે હું મારીશ તમને. આ તો બુદ્ધિથી મારે છે ને અહિંસક કહેવડાવે છે. એટલે આ લોકો માટે પહેલી, બીજી અને ત્રીજી નર્ક ખુલ્લી થઈ ગયેલી છે અને ત્યાં જગ્યા પુષ્કળ છે, અનામત છે, રિઝર્વ્ડ છે !

આ વેપારીઓ જે છે તે વધારે બુદ્ધિવાળા ઓછી બુદ્ધિવાળાને મારામાર કરે છે. વધારે બુદ્ધિવાળો તો, ઓછી બુદ્ધિવાળો ઘરાક આવેને તો એની પાસે પડાવી લે. ઓછી બુદ્ધિવાળા પાસે કંઈ પણ પડાવી લેવું, ભગવાને એને ‘રૌદ્રધ્યાન’ કહ્યું છે ને એનું ફળ ‘જબરજસ્ત નર્ક’ કહ્યું છે. એ બુદ્ધિનો દુરુપયોગ કરાય નહીં.

બુદ્ધિ એ તો લાઈટ (પ્રકાશ) છે. તે લાઈટ એટલે અંધારામાં જતા હોય, એને લાઈટ ધરવાનાયે પૈસા માગો છો તમે ? અંધારામાં કોઈ માણસની પાસે નાનું અમથું ફાનસ હોય તો આપણે લાઈટ ના ધરવું જોઈએ એને બિચારાને ? બુદ્ધિથી લોકોએ દુરુપયોગ કર્યો એ હાર્ડ રૌદ્રધ્યાન, નર્કમાં જતાયે છૂટાશે નહીં. હાર્ડ રૌદ્રધ્યાન કોઈ કાળે થયું નથી એવું આ પાંચમા આરામાં ચાલ્યું છે. બુદ્ધિથી મારે ખરા ? તમે જાણો છો ?

લોકોએ તો આ બુદ્ધિનો દુરુપયોગ કર્યો. બુદ્ધિથી ગોળીબાર કર્યા આ લોકોએ. ઓછી બુદ્ધિવાળાને ગોળીઓ મારી. વધારે બુદ્ધિશાળીઓએ ઓછા બુદ્ધિવાળાને ગોળીબાર કર્યા. એને ભગવાને ‘આર્તધ્યાન’ નથી કહ્યું, ‘અપધ્યાન’ કહ્યું છે. વધુ બુદ્ધિશાળીએ ઓછા બુદ્ધિશાળીનો લાભ ઊઠાવ્યો, એટલે ગોળી મારી એને. બુદ્ધિથી મારવાનું તો કોઈ કાળમાં હતું જ નહીં. આ કાળમાં જ નવું લફરું ઊભું થયું આ.

બુદ્ધિથી મારે એ ભયંકર ગુનો

બુદ્ધિશાળી તો તેનું નામ કહેવાય કે કોઈ માણસ એના ફફડે નહીં એવી રીતે બુદ્ધિ વાપરતો હોય. અને જ્યાં બીજા કોઈ ફફડે છે ત્યાં કુબુદ્ધિ છે. એનાથી ભયંકર પાપો બંધાય. એટલે બુદ્ધિના ભાગ તો સમજવા જોઈએ ને ?

જે પોતાના ઘરમાં, ધંધામાં, ગમે ત્યાં ઓછામાં ઓછી અથડામણ ઊભી થાય એ રીતે વ્યવહાર કરે તે બુદ્ધિશાળી કહેવાય.

બાકી સામાને રાજી રાખવા પંડિતાઈ કરે, એ એક જાતનું ‘ઓવરવાઈઝપણું’ (દોઢ ડહાપણ) છે. બુદ્ધિથી સામાને હેલ્પ (મદદ) થવી જોઈએ.

આપણે ઘેર કોઈને હેલ્પ થતી ના હોય, મતભેદ ઘટતા ના હોય, તો એ બુદ્ધિને શું પૂળો મૂકવાની ? એ બુદ્ધિથી મારેને એ ભયંકર ગુનો છે. જો આ હજુ પણ છોડી દેશે ને અત્યાર સુધીનો પસ્તાવો લે અને હવે નવેસરથી ન કરે તો હજુ સારું છે. નહીં તો આનું કંઈ ઠેકાણું નથી. એ બેજવાબદારી છે. કોઈને દુઃખ આપીએ એ નર્કે જવાની નિશાની છે.

દુઃખ આપી બાંધે પાપના પોટલા

આ જગત જેમ છે તેમ જાણ્યું નથી લોકોએ, એટલે પોતાને ફાવે એમ વર્તે છે. એટલે કોઈ જીવને મારે છે, કોઈને દુઃખ દે છે, કોઈને ત્રાસ આપે છે.

કોઈ પણ જીવમાત્રને કંઈ પણ ત્રાસ આપવો કે દુઃખ આપવું એનાથી પાપ બંધાય. કારણ કે ગૉડ ઈઝ ઈન એવરી ક્રીએચર વેધર વિઝિબલ ઓર ઈન્વિઝિબલ. (આંખે દેખાય એવા કે ના દેખાય એવા, દરેક જીવમાં ભગવાન છે.) આ જગતના લોકો, દરેક જીવમાત્ર એ ભગવાન સ્વરૂપ જ છે. આ ઝાડ છે, એમાંય જીવ છે. હવે આમ લોકો મોઢે બોલે ખરા કે બધામાં ભગવાન છે, પણ ખરેખર એની શ્રદ્ધામાં નથી. એટલે ઝાડને કાપે, એમ ને એમ અમથા તોડ તોડ કરે, એટલે બધું નુકસાન કરે છે. જીવમાત્રને કંઈ પણ નુકસાન દેવું, એનાથી પાપ બંધાય છે અને કોઈ પણ જીવને કંઈ પણ સુખ આપવું, એનાથી પુણ્ય બંધાય છે. તમે બગીચામાં પાણી છાંટો છો તો જીવોને સુખ પડે કે દુઃખ ? એ સુખ આપો એનાથી પુણ્ય બંધાય છે. બસ, આટલું જ સમજવાનું છે.

આખા જગતના જે ધર્મો છે, એને સરવૈયારૂપે કહેવું હોય તો એક જ વાત સમજાવી દઈએ બધાને, કે જો તમારે સુખ જોઈતું હોય તો આ બીજા જીવોને સુખ આપો અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો. જે અનુકૂળ આવે તે કરો, આનું નામ પુણ્ય અને પાપ. સુખ જોઈતું હોય તો સુખ આપો, તેથી ક્રેડિટ બંધાશે અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો તો ડેબિટ બંધાશે. એનું ફળ તમારે ચાખવું પડશે.

છૂટી જવું ગાંડાં કાઢીનેય

કોઈને દુઃખ થાય એવો શબ્દેય બોલાય એ ગુનો છે. જો બોલ્યા હોયને તો આપણે કહેવું, ‘અરે ભઈ, મારું મગજ-બગજ કંઈ ખસી ગયું તે ઊંધું-ખોટું કંઈક આ પેસી ગયું છે. તેથી આમ બોલાઈ જવાયું, માટે માઠું લગાડશો નહીં.’ એવું કહીએને એટલે પેલો છોડી દે પછી, નહીં તો પેલો છોડે જ નહીં પછી.

હું શું કહેવા માગું છું તે સમજ્યા તમે ? ગાંડાઘેલા થઈને છૂટી જવું. વહુયે એમ કહેશે, ‘તમે ચક્કરછાપ છો.’ તો કહીએ ‘હા, ખરેખર મારું ખસી ગયેલું જ છે. નહીં તો આવું તે બોલાતું હશે મારાથી ?’ ત્યારે કહેશે, ‘કશો વાંધો નહીં. પણ આવી બહુ ભાંજગડ કરશો નહીં.’ એટલે વાળી લેવું જોઈએ.

પ્રશ્નકર્તા : તે આ જ મુખ્ય વાત છે ને, વાળી લેતા આવડવાની એ જે કળા, એ આપની પાસે શીખવાની મળે.

દાદાશ્રી : એ તો અમે શીખવાડીએ ને ! અમે તમને શીખવાડીએ, પણ ‘હું ચક્કર છું’ એવું બોલતા આવડવું જોઈએ ને !

હું તો હીરાબાનેય ખુશ કરી નાખું આવું બોલીને. હીરાબા ઉપરથી મને કહે, ‘હં, તમે તો બહુ સારા માણસ, આવું શું બોલો છો ?’ આમ કરીને વાળી લેવું. આપણી દાનત ખોરી નથી. વાળી લેવામાં કદી સંસારી ચીજ આપણે એની પાસેથી પડાવી લેવી હોય તો ખોટું. આપણે તો એનું મન સ્વચ્છ કરવા માટે વાળી લેવું. આપણે જે પથરા નાખ્યા છે, એ પથરા તો વેર બાંધે, મૂઆ !

દુઃખ દીધાના પ્રતિસ્પંદન

આ જગતમાં તમે કોઈને દુઃખ દેશો, તો તેનો પડઘો તમને પડ્યા વગર રહેશે નહીં. સ્ત્રી-પુરુષે છૂટાછેડા લીધા પછી પુરુષ ફરી પૈણ્યો તેમ છતાંય પેલી સ્ત્રીને દુઃખ રહ્યા કરે. તો તેના પડઘા એ પુરુષને પડ્યા વગર રહે જ નહીં અને એ હિસાબ પાછો ચૂકવવો પડશે.

પ્રશ્નકર્તા : જરા વિગતથી ફોડ પાડોને !

દાદાશ્રી : આ શું કહેવા માગીએ છીએ કે જ્યાં સુધી તમારા નિમિત્તે કોઈને સહેજ પણ દુઃખ થાય છે, તો એની અસર તમારી ઉપર જ પડવાની અને એ હિસાબ તમારે પૂરો કરવો પડશે, માટે ચેતો.

તમે ઑફિસમાં આસિસ્ટન્ટને ટૈડકાવો તો તેની અસર તમારી ઉપર પડ્યા વગર રહે કે નહીં ? પડે જ. બોલો હવે, જગત દુઃખમાંથી મુક્ત કઈ રીતે થાય ? છોકરાંને સુધારવા જાઓ, પણ એનાથી એને દુઃખ થાય તો તેની અસર તમને પડશે. માટે એવું કહો કે જેથી એને અસર ના પડે અને એ સુધરે. તાંબાના ને કાચના વાસણમાં ફેર ના હોય ? તમે તાંબાના ને કાચના વાસણને એક સમજો છો ? તાંબાના વાસણને ગોબો પડે તો ઉપાડી લેવાય પણ કાચનું તો ભાંગી જાય. છોકરાંની તો આખી જિંદગી ખલાસ થઈ જાય !

આ અજ્ઞાનતાથી જ માર પડે છે. આને સુધારવા માટે તમે કહો, તેને સુધારવા માટે કહો, પણ કહેવાથી એને જે દુઃખ થયું, તેની અસર તમારી ઉપર આવશે.

પ્રશ્નકર્તા : આ કાળમાં છોકરાંને તો કહેવું પડેને ?

દાદાશ્રી : કહેવાનો વાંધો નથી, પણ એવું કહો કે એને દુઃખ ના પડે અને એનો પડઘો પાછો તમને ના પડે. આપણે નક્કી કરી નાખવાનું કે આપણે કોઈને કિંચિત્માત્ર દુઃખ દેવું નથી.

વ્યવહાર એટલે સામસામી સંતોષ

વ્યવહાર એટલે શું ? બન્નેને સામસામી સંતોષ થવો જોઈએ. વ્યવહારથી તો રહેવું પડશે ને ? બહુ ઊંચી જાતનો સુંદર વ્યવહાર આવે ત્યારે ‘શુદ્ધ ઉપયોગ’ રહે.

પ્રશ્નકર્તા : વ્યવહાર ઊંચો રાખવો હોય તો શું કરવું ?

દાદાશ્રી : ભાવના રાખવી. લોકોનો વ્યવહાર જોવો, અમારો વ્યવહાર જોવો. જોવાથી બધું આવડી જાય. વ્યવહાર એટલે સામાને સંતોષ આપવો તે. વ્યવહારને ‘કટ ઑફ’ ના કરાય. એ તો આપઘાત કર્યો કહેવાય. વ્યવહાર તો ધીમે ધીમે ખલાસ થવો જોઈએ. આ વિનાશી સત્ય છે એટલે છોડી દેવાનું નથી. આ તો બેઝિક એરેન્જમેન્ટ (પાયાની ગોઠવણી) છે એક જાતની. એટલે પૈણવાનુંય ખરું, ‘મારા વાઈફ છે’ એવું કહેવાનુંય ખરું. વાઈફને એમેય કહેવાનું કે ‘તારા વગર ગમતું નથી.’ એ તો કહેવું જ પડે. એવું ના કહીએ તો ગાડું શી રીતે ચાલે ? અમેય હજુ હીરાબાને એમ કહીએ છીએ કે ‘તમે હો ત્યારે મઝા સારી આવે છે, પણ અમારાથી (અહીં) રહેવાતું નથીને હવે !’

પ્રશ્નકર્તા : નિઃસ્વાર્થ કપટ !

દાદાશ્રી : હા, નિઃસ્વાર્થ કપટ ! એને ડ્રામા (નાટક) કહેવાય. ધીસ ઈઝ ડ્રામેટિક (આ નાટકીય છે) ! એટલે આ અમેય બધો અભિનય કરીએ છીએ તમારી જોડે. અમે જે દેખાઈએ છીએ ને, જે વાતો કરીએ છીએ, એ રૂપ ‘અમે’ નથી. આ તો બધું તમારી જોડે અભિનય કરીએ છીએ, નાટક-ડ્રામા કરીએ છીએ.

વીતરાગોની તત્ત્વ દ્રષ્ટિ

વીતરાગ માર્ગમાં તો કોઈનોય વિરોધ કે તરછોડ ના હોય. ચોર, ડાકુ, બદમાશો કોઈનાય વિરાધક વીતરાગ ના હોય. એમને ‘તું ખોટો ધંધો લઈને બેઠો છે’ એમ કહે તો પેલાને તરછોડ વાગશે અને તરછોડ વાગે ત્યાં ભગવાનને ના જોઈ શકે. ભગવાન તો એટલું કહે છે કે, એનેય તું તત્ત્વ દ્રષ્ટિથી જો. અવસ્થા દ્રષ્ટિથી જોઈશ તો તારું જ બગડવાનું છે. આપણે કાદવમાં ઢેખાળો નાખીએ તો ? કાદવનું શું બગડવાનું છે ? કાદવ તો બગડેલો જ છે, છાંટા આપણને ઊડે. એટલે વીતરાગો તો બહુ ડાહ્યા હતા, જીવ માત્ર જોડે તરછોડ ના વાગે તેમ નીકળી જતા હતા.

પ્રશ્નકર્તા : તિરસ્કાર અને તરછોડ છે તે જીવન વ્યવહારમાં પળે પળે અનુભવમાં આવે છે.

દાદાશ્રી : હા, દરેકને આ જ થઈ રહ્યું છે ને ! જગતમાં દુઃખ જ એના છે. અવળવાણી એવી તે નીકળે, ‘દુકાળ પડો’ એમ બોલે !

પ્રશ્નકર્તા : અવળવાણીના તો અત્યારે રાજા હોય છે.

દાદાશ્રી : અમને પાછલા અવતારોનું મહીં દેખાય છે ત્યારે અજાયબી લાગે છે કે ઓહોહો ! તરછોડનું કેટલું બધું નુકસાન છે ! તેથી મજૂરોનેય તરછોડ ના વાગે એ રીતે વર્તીએ. છેવટે સાપ થઈનેય કૈડે, તરછોડ બદલો લીધા વગર રહે નહીં.

બહારના ઘા તો રૂઝાઈ જાય, પણ વાણીના ઘા તો આખી જિંદગી ના રૂઝાય. અરે, કેટલાક ઘા તો સો-સો અવતાર સુધી રૂઝાતા નથી !

પ્રશ્નકર્તા : જાણીને કરેલો ગુનાનો દોષ કેટલો લાગે અને અજાણતા કરેલી ભૂલોનો કેટલો દોષ લાગતો હશે ? અજાણમાં કરેલી ભૂલોને માફી થતી હશેને ?

દાદાશ્રી : કોઈ કંઈ એવા ગાંડા નથી કે આવું માફ કરે. તમારા અજાણપણાથી કોઈ માણસ મરી ગયો, તે કોઈ કંઈ નવરો નથી કે માફ કરવા આવે. હવે અજાણતાથી દેવતામાં હાથ પડે તો શું થાય ?

પ્રશ્નકર્તા : દાઝી જવાય.

દાદાશ્રી : તરત ફળ, અજાણથી કરો કે જાણીને કરો. માટે સમજીને કરજો આ બધું. જે કરોને એ જવાબદારી આપણી છે. યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ, ગૉડ ઈઝ નોટ રિસ્પોન્સિબલ એટ ઑલ. (તમે જ સંપૂર્ણ જવાબદાર છો, ભગવાન જરા પણ જવાબદાર નથી.)

આ કાળમાં મનુષ્યો એકલા જ દુઃખી

કશું દુઃખ જેવું છે જ નહીં અને જે છે એ અણસમજણના દુઃખો છે. આ દુનિયામાં કેટલા બધા જીવો છે ! અસંખ્યાત જીવો છે. પણ કોઈનીય બૂમ નથી કે અમારે ત્યાં દુકાળ પડ્યો ! અને આ અક્કરમીઓ વરસે-વરસે બૂમાબૂમ કરે છે ! આ દરિયામાં કોઈ જીવ ભૂખે મરી ગયો હોય એવું છે ? આ કાગડાં-બાગડાં બધા ભૂખે મરી જાય એવું છે ? ના, એ ભૂખથી નહીં મરવાના. એ તો કંઈ અથડાઈ પડ્યા હોય, એક્સિડન્ટ થયો હોય, અગર તો આયુષ્ય પૂરું થાય ત્યારે મરી જાય. કોઈ કાગડો તમને દુઃખી દેખાયો ? કોઈ સૂકાઈને કંતાઈ ગયેલો કાગડો દેખ્યો તમે ? આ કૂતરાંને કંઈ ઊંઘની ગોળીઓ ખાવી પડે છે ? એ તો કેવાં નિરાંતે ઊંઘી જાય છે ! આ અક્કરમીઓ જ વીસ-વીસ ગોળીઓ ઊંઘવા માટે ખાય છે ! ઊંઘ એ તો કુદરતી બક્ષિસ છે. ઊંઘમાં તો ખરેખરો આનંદ હોય ! અને આ ડૉક્ટરો તો બેભાન થવાની ગોળીઓ આપે છે. ગોળીઓ ખાઈને બેભાન થવું તે આ દારૂ પીએ છે તેના જેવું છે. કોઈ ‘બ્લડપ્રેશર’વાળો કાગડો જોયો તમે ? આ મનુષ્ય નામના જીવડાં એકલા જ દુઃખિયા છે ! આ મનુષ્ય એકલાને જ કૉલેજની જરૂર છે.

આ ચકલા સુંદર માળો ગૂંથે છે, તે તેમને કોણ શીખવાડવા ગયેલું ? આ સંસાર ચલાવવાનું તો આપમેળે જ આવડે એવું છે. હા, ‘સ્વરૂપજ્ઞાન’ મેળવવા પુરુષાર્થ કરવાની જરૂર છે. સંસારને ચલાવવા કશું જ કરવાની જરૂર નથી. આ મનુષ્યો એકલા જ બહુ દોઢડાહ્યા છે. આ પશુ-પક્ષીઓને શું બૈરી-છોકરાં નથી ? તેમને પરણાવવા પડે છે ? આ તો મનુષ્યોને જ બૈરી-છોકરાં થયા છે. મનુષ્યો જ પરણાવવામાં પડ્યા છે, પૈસા ભેગા કરવામાં પડ્યા છે. અલ્યા, આત્મા જાણવા પાછળ મહેનત કરને ! બીજા કશા માટે મહેનત-મજૂરી કરવા જેવી છે જ નહીં. અત્યાર સુધી જે કંઈ કર્યું છે તે પોક મૂકવા જેવું કર્યું છે. આ છોકરાંને ચોરી કરતા કોણ શીખવાડે છે ? બધું બીજમાં જ રહેલું છે. આ લીમડો પાને પાને કડવો શાથી છે ? એના બીજમાં જ કડવાશ રહેલી છે. આ મનુષ્યો એકલા જ દુઃખી-દુઃખી છે. સંસારમાં દુઃખ શાના છે ? ‘વિઝન’ ‘ક્લિયર’ ના હોય તેના.

અંતઃકરણ પર ઘર્ષણ-સંઘર્ષણના ઘા

બધી આત્મશક્તિ જો કદી ખલાસ થતી હોય તો તે ઘર્ષણથી. સંઘર્ષથી સહેજ પણ ટકરાયા તો ખલાસ ! સામો ટકરાય તો આપણે સંયમપૂર્વક રહેવું જોઈએ. ટકરામણ તો થવી જ ના જોઈએ. પછી આ દેહ જવાનો હોય તો જાય (ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે), પણ ટકરામણમાં ના આવવું જોઈએ. ઘર્ષણ એકલું ના હોય તો માણસ મોક્ષે જાય. કોઈ શીખી ગયો કે મારે ઘર્ષણમાં આવવું જ નથી, તો પછી એને વચ્ચે ગુરુની કે કોઈનીય જરૂર નથી. એક-બે અવતારે સીધો મોક્ષે જાય. ‘ઘર્ષણમાં આવવું જ નથી’ એવું જો એની શ્રદ્ધામાં બેસી ગયું ને નક્કી જ કર્યું, તો ત્યારથી જ સમકિત થઈ ગયું ! એટલે જો કદી કોઈને સમકિત કરવું હોય તો અમે ગેરન્ટી આપીએ છીએ કે જાવ, ઘર્ષણ નહીં કરવાનું નક્કી કરો, ત્યારથી સમકિત થઈ જશે ! દેહની અથડામણ થઈ હોય ને વાગ્યું હોય તો દવા કરાવે તો મટી જાય પણ ઘર્ષણ અને સંઘર્ષણથી જે મનમાં ડાઘ પડ્યા હોય, બુદ્ધિના ડાઘ પડ્યા હોય, તેને કોણ કાઢે ? હજારો અવતારેય ના જાય.

પ્રશ્નકર્તા : ઘર્ષણ અને સંઘર્ષણથી મન અને બુદ્ધિ ઉપર ઘા પડે ?

દાદાશ્રી : અરે ! મન ઉપર, બુદ્ધિ ઉપર તો શું, આખા અંતઃકરણ ઉપર ઘા પડ્યા કરે અને તેની અસર શરીર પર પણ પડે. એટલે ઘર્ષણથી તો કેટલી બધી મુશ્કેલી છે !

પ્રશ્નકર્તા : આપ કહો છો, ઘર્ષણથી શક્તિઓ બધી ખલાસ થઈ જાય, તો જાગૃતિથી શક્તિ પાછી ખેંચાશે ખરી ?

દાદાશ્રી : શક્તિઓ ખેંચવાની જરૂર નથી, શક્તિઓ તો છે જ. હવે શક્તિ ઉત્પન્ન થાય છે. પૂર્વે જે ઘર્ષણ થયેલા હતા ને તે ખોટ ગયેલી, તે જ પાછી આવે છે. પણ હવે જો નવું ઘર્ષણ ઊભું કરીએ તો પાછી શક્તિ જતી રહે, આવેલી શક્તિ પણ જતી રહે ને પોતે ઘર્ષણ ન જ થવા દે તો શક્તિ ઉત્પન્ન થયા કરે !

આ જગતમાં વેરથી ઘર્ષણ થાય છે. સંસારનું મૂળ બીજ વેર છે. જેના વેર અને ઘર્ષણ, બે બંધ થયા તેનો મોક્ષ થઈ ગયો ! પ્રેમ નડતો નથી, વેર જાય તો પ્રેમ ઉત્પન્ન થાય.

પરાર્થે જીવન જીવવામાં ફાયદો પોતાને જ

‘જો મરણ આ જિંદગીની છે અરે છેલ્લી દશા,

તો પરાર્થે વાપરવામાં, આ જીવનના મોહ શા ?’

આ સ્વાર્થ તો ખોટો સ્વાર્થ છે, પણ આ પરાર્થમાં એટલે હજીયે કોઈકના, પારકાના લાભ માટે જીવન જાય, જેમ આ અગરબત્તી બળે છે તે પોતાના પ્રકાશ માટે બળે છે ? સામાના માટે, પરાર્થ માટે કરે છે ને ? સામાના ફાયદા માટે કરે છે ને ? તેવી રીતે આ માણસો સામાના ફાયદા માટે જીવે તો એમનો ફાયદો તો એની મેળે મહીં રહેલો જ છે. આમેય મરવાનું તો છે જ ! એટલે સામાનો ફાયદો કરવા જઈશ તો તારો ફાયદો તો અંદર હોય જ અને સામાને ત્રાસ આપવા જઈશ તો તારો ત્રાસ છે જ અંદર. તારે જે કરવું હોય તે કર. તો શું કરવું જોઈએ ?

વઢવું એ છે ગાંડો અહંકાર

જેટલું બને એટલું આત્માનું જ કર કર કરવા જેવું છે અને આ સંસારનું તો કશું આઘુપાછું થાય એવું નથી. સંસારમાં તો તમારે ‘ચંદુભાઈ’ (ફાઈલ નં.૧)ને કહેવું, ‘કામ કર્યે જાવ.’ પછી આઘુપાછું થાય તોય ‘વઢશો નહીં, કોઈને લઢશો નહીં ને કામ કર્યે જાવ’, કહીએ. સંસારમાં વઢવા-લઢવાની વાત જ નથી. એ તો જેને રોગ થયો હોય ને, તે બધું વઢે, લઢ્યા કરે. આ ગાયો-ભેંસો કંઈ રોજ લડે છે કે કોઈ દહાડો^? કો’ક દહાડો બહુ ત્યારે, બાકી બધા જોડે ને જોડે જાય છે, આવે છે. સામસામી કચકચ નહીં, ભાંજગડ નહીં. વઢવાની તો વાત જ ના હોય. વઢવું એટલે જ અહંકાર, ખુલ્લો અહંકાર, એને ગાંડો અહંકાર કહેવામાં આવે છે. મનમાં એમ માને કે ‘મારા વગર ચાલશે નહીં. આ બધું બગડી જશે.’ એ અહંકારને ગાંડો અહંકાર કહેવાય. એટલે વઢવા-કરવાની વાત આવે ત્યાં બંધ રાખવું.

કોઈને કંઈ કહેવું એ રોગ છે એક જાતનો

જગતમાં કોઈને એક અક્ષરેય કહેવો નહીં. કહેવું એ રોગ છે એક જાતનો ! કહેવાનું થાયને તો એ રોગ મોટામાં મોટો^! બધા પોતપોતાનો હિસાબ લઈને આવેલા છે. આ ડખો કરવાની જરૂર શું તે ? અક્ષરેય બોલવાનો બંધ કરી દેજો. એટલા માટે તો અમે આ ‘વ્યવસ્થિત’નું જ્ઞાન આપ્યું છે. તે વ્યવસ્થિતના જ્ઞાન વગર માણસ બોલ્યા વગર બેસી ના રહે. કારણ કે નોકરના હાથે પ્યાલા ભાંગી ગયા એટલે મૂઓ બોલ્યા વગર રહે જ નહીં ને ! ‘કેમ ભાંગી નાખ્યા ? તારા હાથ ભાંગલા છે કે આમ છે તેમ છે ?’ પણ હવે પ્યાલા ફૂટી ગયા તો ફોડનાર કોણ છે એ ‘વ્યવસ્થિત’નું જ્ઞાન આપ્યું છે એટલે કશું બોલવાનું જ નથીને ! અને પાછું ‘વ્યવસ્થિત’ જ થયું.

માટે અક્ષરેય બોલવાનું બંધ કરી દેવું. બોલવું એને ભગવાને ‘ભયંકર રોગ’ કહ્યો છે. હા, બોલે તો, જ્ઞાની એકલા બોલે, તેય એમની વાણી કેવી હોય ? પરેચ્છાનુસારી હોય. હા, બીજાની ઈચ્છાઓના આધારે એ બોલે છે. બીજાની ઈચ્છાઓ પૂર્ણ થવા માટે એ બોલે છે. બાકી એમને શા હારુ બોલવું પડે તે ? અને એમની વાણી સ્યાદ્વાદ વાણી, બહુ સાંભળ સાંભળ કરવાનું મન થાય. અને પેલી તો સાંભળે ત્યાંથી જ મહીં આત્મા હાલી જાય, બધું હાલી જાય, ભયંકર પાપ લાગે. સહેજેય બોલાય નહીં આ જગતમાં. સહેજેય બોલવું એનું નામ કચકચ કહેવાય.

કચકચથી થાય નુકસાન પોતાને જ

આ કચકચથી સંસારમાં કશો ફાયદો થતો નથી, નુકસાન જ થાય છે. કચકચ એટલે કકળાટ ! તેથી ભગવાને એને ‘કષાય’ કહ્યા.

એટલે એક જ કામ જગતમાં કરવાનું છે. કશું બોલવું નહીં કોઈએ. નિરાંતે જે હોય એ ખઈ લેવું ને આ હેંડ્યા બા સહુસહુના કામ પર, કામ કર્યા કરવાનું. કશું બોલશો-કરશો નહીં.

પ્રશ્નકર્તા : પણ દાદા, આપણે તો છોકરાંઓને, વાઈફને કંઈ કહેતા હોઈએ ને, તો પેલું નાટકમાં જેમ ગુસ્સો કરતા હોયને એવું સાધારણ આમ...

દાદાશ્રી : હા, નાટકી ભાવ રાખે તો વાંધો નહીં. જો સામા કચકચ કરતા હોય ને, તો આપણે કચકચ કરવા જેવી નથી. એ આપણને મૂરખ જાણે તો મૂરખ જાણવું. એમના હાથમાં કંઈ ઓછો કાયદો છે, મોક્ષે જવાનો ? દાદાની પાસે આપણે સર્ટિફિકેટ લેવું, કે સર્ટિફિકેટ કેવું છે, બસ.

ચેતો અવર્ણવાદથી

પ્રશ્નકર્તા : ‘‘હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ, સાધ્વી, આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો.’’ (નવ કલમો) આમાં જે અવર્ણવાદ શબ્દ છે ને, એનો ‘એક્ઝેક્ટ’ ‘મિનિંગ’ (ખરો અર્થ) શું છેય ?

દાદાશ્રી : કોઈ પણ રસ્તે જેમ છે તેમ નહીં ચીતરવું પણ ઊંધું ચીતરવું, એ અવર્ણવાદ એટલે જેમ છે એમેય નહીં ને એથી ઊંધું પાછું. જેમ છે એમ ચીતરીએ અને ખોટાને ખોટો બોલીએ અને સારાને સારો બોલીએ, તો અવર્ણવાદ ના કહેવાય. પણ બધું જ ખોટું બોલીએ ત્યારે અવર્ણવાદ કહેવાય.

અવર્ણવાદ એટલે કોઈ માણસની બહાર આબરૂ સારી હોય, મોભો હોય, કીર્તિ હોય, તે એને આપણે ઊંધું બોલીને તોડી નાખવું, એને અવર્ણવાદ કહેવાય. આ અવર્ણવાદ તો નિંદાથીય ભારે ખરાબ વસ્તુ છે. અવર્ણવાદ એટલે એના માટે ગાઢ નિંદાઓ કરવી. આ લોકો નિંદા કેવી કરે છે ? સાદી નિંદા કરે છે. પણ ગાઢ નિંદા કરવી એ અવર્ણવાદ કહેવાય.

પ્રશ્નકર્તા : ગાઢ નિંદા એ કેવી નિંદા ?

દાદાશ્રી : એનું રૂપક જ ખરાબ દેખાડે. આમ સાધારણ નિંદા કરે કે ‘એ તો માણસ સારા નથી.’ એ સાધારણ નિંદા કહેવાય. પણ એના માટે પેલો પેલાને ઠસાવી દે, એ અવર્ણવાદ કહેવાય.

કોઈ માણસનામાં થોડું સારું હોય કે ના હોય ?

પ્રશ્નકર્તા : હોયને !

દાદાશ્રી : ને થોડું અવળુંય હોય. પણ એનું બધું જ અવળું બોલીએ, ત્યારે પછી એ અવર્ણવાદ કહેવાય. ‘આવી બાબતમાં જરા એવા, પણ આ બીજી બાબતમાં બહુ સારાં.’ આવું હોવું જોઈએ.

કોઈના વ્યૂ પોઈન્ટનું પ્રમાણ ના દુભાય હવે

પ્રશ્નકર્તા : હવે ‘કોઈનો પણ અહમ્ ના દુભાય એવી સ્યાદ્વાદ વાણી, સ્યાદ્વાદ વર્તન અને સ્યાદ્વાદ મનન કરવાની શક્તિ આપો.’ એ ત્રણ જરા સમજાવો.

દાદાશ્રી : સ્યાદ્વાદનો અર્થ એવો કે બધા કયા ભાવથી, કયા ‘વ્યૂ પોઈન્ટ’ (દ્રષ્ટિકોણ)થી કહે છે એ આપણે જાણવું જોઈએ.

પ્રશ્નકર્તા : સામાનો ‘વ્યૂ પોઈન્ટ’ સમજવો એ સ્યાદ્વાદ ગણાય ?

દાદાશ્રી : સામાનો ‘વ્યૂ પોઈન્ટ’ સમજીએ અને તે પ્રમાણે એવો વ્યવહાર કરવો, એનું નામ સ્યાદ્વાદ. એના ‘વ્યૂ પોઈન્ટ’ને દુઃખ ના થાય એવી રીતે વ્યવહાર કરવો. ચોરના ‘વ્યૂ પોઈન્ટ’ને દુઃખ ના થાય એવી રીતે તમે બોલો, એનું નામ સ્યાદ્વાદ !

આ અમે વાત કરીએ, તે મુસ્લિમ હોય કે પારસી હોય, બધાને એકસરખું જ સમજાય. કોઈનું પ્રમાણ ના દુભાય કે ‘પારસી આવા છે કે સ્થાનકવાસી આવા છે’, એવું દુઃખ થવું ના જોઈએ.

પ્રશ્નકર્તા : અહીં તો કોઈ ચોર બેઠો હોય, એને આપણે કહીએ કે ચોરી કરવી એ સારું નથી, તો એનું મન તો દુભાય જ ને ?

દાદાશ્રી : ના, એવું નહિ કહેવાનું. આપણે એને કહેવું જોઈએ કે ‘ચોરી કરવાનું ફળ આવું આવે છે. તને ઠીક લાગે તો કરજે.’ એવું બોલાય. એટલે વાત રીતસર બોલવી જોઈએ, તો પેલો સાંભળવાય તૈયાર થાય. નહીં તો પેલું તો એ સાંભળશે જ નહીં અને ઊલટો તમારો શબ્દ નકામો જશે. આપણું બોલેલું નકામું જાય અને એ ઊલટો વેર બાંધે કે આ મોટા આવ્યા પાછા ! એવું ના હોવું જોઈએ.

લોકો કહે કે ચોરી કરવી એ ગુનો છે, પણ ચોર શું જાણે કે ચોરી કરવી એ મારો ધર્મ છે. અમારી પાસે કોઈ ચોરને તેડી લાવે તો અમે એને ખભે હાથ મૂકી ખાનગીમાં પૂછીએ કે ‘ભઈ, આ બિઝનેસ (કામધંધો) તને ગમે છે ? પસંદ પડે છે ?’ પછી એ એની બધી હકીકત કહે. અમારી પાસે એને ભય ના લાગે. માણસ ભયને લીધે જૂઠું બોલે છે. પછી એને સમજાવીએ કે ‘આ તું કરે છે તેની જવાબદારી શું આવે છે, તેનું ફળ શું છે તેની તને ખબર છે ?’ અને ‘તું ચોરી કરે છે’ એવું અમારા મનમાંય ના હોય. એવું જો કદી અમારા મનમાં હોય તો એના ઉપર અસર પડે. દરેક પોતપોતાના ધર્મમાં છે. કોઈ પણ ધર્મનું પ્રમાણ ના દુભાય, એનું નામ સ્યાદ્વાદ વાણી. સ્યાદ્વાદ વાણી સંપૂર્ણ હોય. દરેકની પ્રકૃતિ જુદી જુદી હોય, તોય સ્યાદ્વાદ વાણી કોઈની પણ પ્રકૃતિને હરકત ના કરે.

પ્રશ્નકર્તા : સ્યાદ્વાદ મનન એટલે શું ?

દાદાશ્રી : સ્યાદ્વાદ મનન એટલે વિચારણામાં, વિચાર કરવામાંય કોઈ ધર્મનું પ્રમાણ ન દુભાવવું જોઈએ. વર્તનમાં તો ના જ હોવું જોઈએ પણ વિચારમાંય ના હોવું જોઈએ. બહાર બોલો એ જુદું અને મનમાં પણ એવા સારા વિચાર હોવા જોઈએ કે સામાનું પ્રમાણ ના દુભાય એવા. કારણ કે મનના જે વિચારો હોય છે એ સામાને પહોંચે છે. તેથી તો આ લોકોના મોઢાં ચઢેલા હોય. કારણ કે તમારું ત્યાં પહોંચીને અસર કરે.

એટલે કોઈનું ખરાબ કે એવું તેવું વિચારાય નહીં, કશું જ કરાય નહીં. ‘સબ સબકી સમ્માલો.’ પોતપોતાનું સંભાળો, બસ. બીજી કોઈ ભાંજગડ નહીં.

જીવમાત્રમાં ભગવાન છે, કોને દુઃખ આપશો ?

આ જગત આપણું છે, એમાં બીજા કોઈની જવાબદારી છે નહીં. ભગવાન જો ઉપરી હોતને, તો તો આપણે જાણીએ કે આપણે પાપ કરીશું ને ભગવાનની ભક્તિ કરીશું તો ધોવાઈ જશે, પણ એવું નથી. આ તો જવાબદારી આપણી જ છે. કિંચિત્માત્ર, એક વિચાર અવળો આવ્યો તેની જવાબદારી આપણી જ છે. હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ (સંપૂર્ણ રીતે જવાબદાર) આપણે જ છીએ. ઉપર કોઈ બાપોય નથી. તમારો કોઈ ઉપરી જ નથી, જે છો તે તમે જ છો.

ફક્ત વ્યક્તિરૂપે બધા જુદા છે, પણ છે આત્મા જ, એટલે એ પણ ભગવાન જ છે. માટે કોઈનું નામ દેશો નહીં અને કોઈને છંછેડશો નહીં. હેલ્પ થાય તો કરજો ને ના થાય તો કંઈ નહીં, પણ છંછેડશો તો નામેય નહીં. લોક વાઘને છંછેડતા નથી, સાપને છંછેડતા નથી ને માણસોને જ છંછેડે છે, તેનું શું કારણ ? વાઘ કે સાપથી તો મરી જઈએ, ને માણસો તો બહુ ત્યારે લાકડીથી મારશે કે બીજું કંઈ કરશે. એટલે માણસોને છંછેડે છેને ! કોઈનેય ના છંછેડાય, કારણ કે મહીં પરમાત્મા બેઠેલા છે. તમને સમજાય છે આ વાત ?

જીવમાત્રમાં ભગવાન રહેલા છે, પણ મનુષ્યોમાં તો ભગવાન વ્યક્ત થયા છે. ઈશ્વર સ્વરૂપે થયા છે, ભલે પરમેશ્વર નથી થયા. ઈશ્વર શાથી કહેવાય ? કે એ મનમાં ધારેને કે આમને એક દહાડો ગોળીથી ઠાર કરી નાખવા છે, તે એક દહાડો ગોળી મારીને ઠાર કરી નાખેને ? એવા આ ઈશ્વર સ્વરૂપે છે. એટલે એમનું નામ જ ના દેવું. તેથી અમે કહીએ છીએ ને, કે આ કાળમાં એડજસ્ટ એવરીવ્હેર થાવ. ક્યાંય ડિસ્એડજસ્ટ થવા જેવું નથી, અહીં તો છટકી નાસવા જેવું છે. ‘આ’ વિજ્ઞાન તો એક-બે અવતારમાં મોક્ષે લઈ જનારું છે, માટે અહીં કામ કાઢી લેવાનું છે.

ઝઘડો-વેર કર્યે કેમ પાલવે ?

આ સંસાર બધો હિસાબ ચૂકવવાનું કારખાનું છે. વેર તો સાસુ થઈને, વહુ થઈને, છોકરો થઈને, છેવટે બળદ થઈને પણ ચૂકવવું પડે. બળદ લીધાના રૂપિયા બારસો ચૂકવ્યા પછી બીજે દિવસે એ મરી જાય ! એવું છે આ જગત ! અનંત અવતાર વેરમાં ને વેરમાં ગયા છે ! આ જગત વેરથી ખડું રહ્યું છે ! આ તો ઘરમાંય વેર બાંધે અને અમુક લોકો ઘરમાં વેર ના બાંધે, બહાર ઝઘડો કરી આવે. એ જાણે કે આપણે તો આની આ જ ઓરડીમાં આની જ જોડે રાતે પડી રહેવાનું છે, ત્યાં ઝઘડો કર્યે કેમ પાલવે ? જીવન જીવવાની કળા શું છે કે સંસારમાં વેર ના બંધાય ને છૂટી જવાય. તે નાસી તો આ બાવા-બાવલીઓ જાય છે જ ને ? બાકી, નાસી ના જવાય. આ તો જીવન સંગ્રામ છે, જન્મથી જ સંગ્રામ ચાલુ ! ત્યાં લોક મોજમઝામાં પડી ગયું છે !

જીવો જીવન હેતુસર

ધર્મ વસ્તુ તો પછી કરવાની છે પણ પહેલી જીવન જીવવાની કળા જાણો ને શાદી કરતા પહેલાં બાપ થવાનું લાયકાતપત્ર મેળવો. એક ‘ઈન્જિન’ લાવીએ, એમાં પેટ્રોલ નાખીએ અને ચલાવ-ચલાવ કરીએ, પણ એ ‘મિનિંગલેસ’ (અર્થહીન) જીવન શું કામનું ? જીવન તો હેતુસર હોવું જોઈએ. આ તો ‘ઈન્જિન’ ચાલ્યા કરે, ચાલ્યા જ કરે. એ નિરર્થક ના હોવું જોઈએ. એને પટ્ટો જોડી આપે તોય કંઈક દળાય, પણ આ તો આખી જિંદગી પૂરી થાય છતાં કશું દળાતું નથી અને ઉપરથી આવતા ભવના વાંક ઊભા કરે છે.

સંસારની વિકરાળતા જો સમજાઈ જાય તો મોક્ષની ઈચ્છા તીવ્ર થાય. સંસારની વિકરાળતા એ તો મોક્ષ માટેનું કાઉન્ટર વેઈટ (સમકક્ષીય તોલ) છે. આજે વિકરાળતા લાગે છે, છતાંય પાછો મૂર્છાથી મૂઢ માર ખાય છે. પાછું લાગે કે હશે ભાઈ, આવતી કાલે સુધરશે. પિત્તળ સુધરીને સોનું થશે ખરું ? ના, એ તો ક્યારેય પણ સોનું ના થાય. તેથી આવા સંસારની વિકરાળતા સમજી લેવાની છે. આ તો એમ જ સમજે છે કે આમાંથી હું કંઈ સુખ લઈ આવું છું. આમ કરીશ એટલે કંઈક સુખ મળશે, પણ ત્યાંય માર ખાય છે. આ વિકલ્પી સુખો માટે ભટક ભટક કરે છે, પણ બૈરી સામી થાય ત્યારે એ સુખની ખબર પડે કે આ સંસાર ભોગવવા જેવો નથી. પણ આ તો તરત જ મૂર્છિત થઈ જાય ! મોહનો આટલો માર ખાય છે, તેનું ભાન પણ રહેતું નથી.

દુઃખ ટાળવા, દુઃખ દેવાનું બંધ કરો

કોઈને દુઃખ આપીને આપણે સુખ પામીએ એવું કોઈ દહાડોય બને નહીં. બધાને સુખ આપવાનો નિયમ કરો, ત્યારથી તમારે ત્યાં સુખ આવશે. માટે સુખ આપવાની શરૂઆત નવેસરથી કરવાની છે અને કોઈ ગાળ ભાંડે તોય આપણે આશીર્વાદ આપવા. કારણ કે આપણે આપેલું છે, તે જ પાછું આપવા આવ્યા છે. માટે એ જમે કરી લેવું. આજે કોઈ આપે છે તે આપણું જ આપેલું પાછું આપવા આવે છે. જાતે મહેનત એટલે સારી ભાવનાઓ ભાવીને બધો ફેરફાર કરવો પડશે. કોઈને દુઃખ ના થાય એવું વર્તન રાખવું પડશે, નહીં તો માર ખાઈ ખાઈને મરી જવાનું છે. અનંત અવતારથી ભટક ભટક કરે છે અને હજી અનંત અવતાર ભટકશે તોય ઠેકાણું પડશે નહીં. પોતે સીધા થયા વગર કોઈ દહાડોય ઉકેલ આવવાનો નથી.

અનંત અવતારથી ભટક ભટક કરવા છતાં (આત્માનું) સુખ સહેજેય નથી મળતું. સુખ તમારી મહીં ભર્યું પડ્યું છે. એને અમે ખોલી આપીએ ને તમે એ પ્રમાણે ચાલો તો રાગે પડે, નહીં તો કેમ કરીને રાગે પડે ? તમને કહ્યું કે આ રસ્તે જાવ, તેમ છતાં તમે આમ બીજે ચાલ્યા જાવ તો એનો શો અર્થ થાય ? એ તો માર્ગદર્શન મળે, એમના માર્ગદર્શન પ્રમાણે ચાલો તો પાર વગરનું સુખ મહીં ભર્યું પડ્યું છે તે પ્રાપ્ત થાય ! બાકી બહાર સુખને ક્યાં ખોળો છો તે ? એટલે કહ્યા પ્રમાણે જરા ચાલો તો બધું ફર્સ્ટકલાસ થઈ જાય^!

‘ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ.’ (જગત પોતે જ કોયડો છે.) આ આપણે ફર્સ્ટ ટાઈમ ખુલ્લું કરી દઈએ છીએ. જેમ છે તેમ નેકેડ (નગ્ન) સત્ય બોલીએ છીએ. એટલે પછી માણસો જે ભગવાનના નામ પર ખોટું કરે છે કે ખોટું માને છે કે આપણે ભગવાનની ભક્તિ કરીશું તો પાપ ધોવાઈ જશે અને આમ પાપ કર્યા જ કરે છે, તેમને પોતાની જવાબદારીનું ભાન થાય કે વર્લ્ડ તો ઈટસેલ્ફ પઝલ થયેલું છે. ઉપર ભગવાન, કોઈ બાપોય નથી. શું કામ ઉપરવાળાનો આધાર માની ખોટું કરું છું ? તમારી જાતે જ ફેરફાર કરવો પડશે.

જેમ ખેતર હોય છે તે ખેડૂત ઘઉંના દાણા નાખે છે, તે એક મણ નાખે તો કેટલા ઘઉં લઈ આવે છે ? ત્રીસ મણ ઘઉં લઈ આવે છે. એવું એક મણ સુખ આપે બધાને, તો ત્રીસ મણ સુખ લઈ આવે. માટે સુખ આપવાનું કરો અને કોઈ આપણને દુઃખ આપે છે તે પાછલાં ચોપડાનો હિસાબ છે તે જમે કરી લો ને નવું ધીરશો નહીં, નહીં તો નવો વેપાર ચાલુ થશે.

ખરો સંયમી કોઈને દુઃખ ના આપે

અત્યારના બધા લોકો તો સામાને દુઃખ થાય એવું જ કરી નાખે. એ વાર જ ના લાગેને ! અને કો’ક કહે કે એમનેય દુઃખ થઈ જાય. એટલે હંમેશાં દાઝેલો માણસ બીજાને દઝાડે. તમે દાઝયા નથી, તો તમે શા માટે દઝાડો ? તમને દુઃખ જ નથી. તમને હવે ક્યાં દુઃખ થાય છે ?

પ્રશ્નકર્તા : ના, નથી થતું.

દાદાશ્રી : તો પછી બીજાને દઝાડવાનો શું ફાયદો ? એને સુખી કરવો જોઈએ આપણે.

બાકી એમ ને એમ આપણે કહીએ કે મારે સંયમ છે, એ સંયમ ચાલે નહીં. તમારે બધાએ ધ્યેય રાખવાનો કે ભઈ, આ ધ્યેય છે અમારો. મારે એ ધ્યેય પૂરો થયેલો છે અને કોઈ જગ્યાએ કાચું હોય તોય હું ફેરફાર કરી નાખુંને પાછો. કાચુંય પડી જાયને કોઈ વખત. બધામાં કંઈ ઓછું સમાધાન થાય ? એ કેવા કેવા ભેજા આવે છે ! પણ આપણો ધ્યેય આવો હોવો જોઈએ એ ભાવમાં હોય. એટલે કહેવાનું શું કે ઈચ્છા-ભાવના તમારી આ જ છે. વખતે ભૂલ થઈ જાય પણ તમારી ભાવના આ જ છે, ત્યાંથી અમે તમને સંયમી કહીએ છીએ. ભૂલ થઈ જાય એ વસ્તુ જુદી છે પણ તમારી ભાવના શું છે ? આજના સંયમમાં લોકોને એવી ભાવનાય નથી હોતી. હવે સંયમી કોનું નામ કહેવાય ? એ તો જે સામો અસંયમી હોય, તેને કિંચિત્માત્ર દુઃખ ના થવા દે.

આરોપિત સુખ છેવટે આપે છે દુઃખ

આપણા મન-વચન-કાયાથી કોઈને દુઃખદાયી ન થઈ પડીએ, એટલે મહીં ભગવાન પ્રગટ થઈ જાય. ભગવાનને કંઈ એમનું ઘર ત્યાં આકાશમાં છે નહીં, ત્યાં તો કોઈ બાંધે જ શી રીતે ? પાયા ના થાય ત્યાં. આ તો કલ્પનાઓ છે બધી. આ તદ્દન સાચી વાત ઉઘાડી કરું છું. કારણ કે અમારે ત્યાં (ભગવાન) પ્રગટ થયેલા છે, મેં જોયેલા જ છે એમને. તેથી કહું છું કે ભઈ, આમ આવા છે. બધી કલ્પનાઓ ખોટી છે. પણ જગત કલ્પનામાં રાચેલું છે, તેને કલ્પના જ જોઈએ. બીજું સાચું હોયને, તે ભાગ ગમે નહીં એમને. એમને એમના ટેસ્ટનું જ જોઈએ, ટેસ્ટ પડે એને. ભગવાન મારું મામેરું પૂરી આપશે, એવું હઉ કહે. એમને હાથ નથી, પગ નથી, એ વિજ્ઞાન (સ્વરૂપ) છે. એ કોઈને દુઃખદાયી થઈ પડે નહીં, કોઈને સુખદાયી થઈ પડે નહીં. સુખ ને દુઃખ એ તો કલ્પનાઓ જ છે. પોતે જ અનંત સુખનું ધામ છે. એમાંથી જ બધું સુખ નીકળે છે. તે આ બધું, એમાંથી આરોપિત કરેલું સુખ છે. આ કલ્પિત સુખ છે, બાકી સુખ નથી. આ બધા બંધન છે ખાલી. બાકી ભગવાન કંઈ છેટે નથી, વીતરાગોનું વિજ્ઞાન રાગ-દ્વેષ ન કરે એવું હોય. ગાળો ભાંડે તોય રાગ-દ્વેષ ન થાય, માર મારે તોય રાગ-દ્વેષ ન થાય. દુનિયામાં કોઈ દોષિત ન દેખાય એવું. વીતરાગ વિજ્ઞાન એનું નામ કહેવાય કે કોઈ દોષિત દેખાય જ નહીં. જગત આખું નિર્દોષ દેખાય !

સાચી સમજ સજાવે સંસાર

આને જીવન કેમ કહેવાય ? જીવન કેટલું સુશોભિત હોય ! એક-એક માણસની સુગંધ આવવી જોઈએ. આજુબાજુ કીર્તિ પ્રસરેલી હોય કે કહેવું પડે, આ શેઠ રહે છે ને, એ કેવા સુંદર ! એમની વાતો કેવી સુંદર ! એમનું વર્તન કેવું સુંદર ! એવી કીર્તિ બધે દેખાય છે ? એવી સુગંધ આવે છે લોકોની ?

પ્રશ્નકર્તા : કોઈ કોઈવાર કોઈ કોઈ લોકોની સુગંધ આવે.

દાદાશ્રી : કોઈ કોઈ માણસની, પણ તેય કેટલી ? તે પાછા એને ઘેર પૂછોને, તો ગંધાતો હોય. બહાર સુગંધ આવે પણ એને ઘેર પૂછો ત્યારે કહેશે કે, ‘એનું નામ જ જવા દો. એની તો વાત જ ના કરશો.’ એટલે આ સુગંધ ના કહેવાય.

જીવન તો હેલ્પિંગ (બીજાને સહાયરૂપ થવા) માટે જ જવું જોઈએ. આ અગરબત્તી સળગે છે, એમાં પોતાની સુગંધ લે છે એ ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : આખી જિંદગી સળગે ત્યાં સુધી બધાને સુગંધી જ આપે છે ને ! એ એના જેવું છે આપણું જીવન ? બધાને સુગંધી આપવી જોઈએ. લોકો વગોવે એનો શું અર્થ ? લોકો કંઈ પૈસા લેવા ફરતા નથી અને તેય એવા મહીં કો’ક હોય તો એનેય હેલ્પ કરવી પડે.

આ એક ગુલાબનું ફૂલ દેખીએ છીએ તોય કહે, સરસ ગુલાબ છે ! અને આ મનુષ્ય દેખાય તો મૂઆ (એને) ગમે નહીં ! એક અગરબત્તી અહીં સળગતી હોય તો આખા રૂમને સુગંધી આપે અને આ મનુષ્યો ગંધાય મૂઆ ! કઈ જાતના લોક છો તમે ? ગંધાય, બહાર કોઈની સુગંધ જ નથી આવતી, નહીં તો પચ્ચીસ-પચ્ચીસ માઈલના એરિયા (વિસ્તાર) સુધી સુગંધ ફેલાય. ના ફેલાય સુગંધ ? આ અગરબત્તીની સુગંધ ફેલાય છે, તો માણસની ફેલાય કે ના ફેલાય ? તે વડોદરા શહેરમાં તું રહું છું તે કોની સુગંધ ફેલાયેલી દેખાઈ ? મૂઆ આવ્યા ને મરી ગયા, આવ્યા ને મરી ગયા. વખતે કૂતરાંય ખાય-પીને મરી જાય છે, એમાં તેં શું કર્યું તે ? મનુષ્યપણું ખોયું ! મનખો નકામો ગયો. મનખો એટલે બહુ કિંમતી. અચિંત્ય ચિંતામણી દેહ, મનુષ્ય કહેવાય. તે આ મૂઆ આમાં જ કાઢ્યો, ખાણી-પીણીમાં જ ? અને ઔરત. એ ઔરતેય પાળતા ના આવડી હોય ! એની જોડેય રાત-દહાડો ડખા-ડખા, વઢવાડ-વઢવાડ !

આ સંસાર દુઃખદાયી નથી, અણસમજણ જ દુઃખદાયી છે. તે અમે તમારી અણસમજણ કાઢી નાખીએ અને તમને સમજણ દેખાડી દઈએ. એટલે તમારો સંસાર દુઃખદાયી થઈ પડે નહીં. એટલે આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાય. પછી નિરંતર ધર્મધ્યાન રહ્યા કરે.

સમજી લઈએ સુખી થવાની ચાવી

સુખી થવા માટે ત્રણ જ વાક્યો છે, તમે લખી લો : (1) પોઝિટિવ અહંકાર — કોઈને કિંચિત્માત્ર પણ આપણા થકી દુઃખ ના થાય એવો અહંકાર એ પોઝિટિવ અહંકાર (2) દુઃખી થવા માટે નેગેટિવ અહંકાર — પોતાનું સહેજ અપમાન થઈ ગયું હોય તે મનમાં વેર રાખે ને ફોજદારને જઈને કહી આવે કે ‘પેલાએ ઘરમાં તેલના ડબ્બા ભર્યા છે.’ અલ્યા મૂઆ, તારું વેર છે એટલા માટે આ કર્યું ? એને શું કરવા ફોજદારને પકડાવ્યો ? વેર વાળવા માટે^! આ નેગેટિવ અહંકાર. અને (3) મોક્ષે જવું હોય તો ‘આરોપિત ભાવ’થી મુક્ત થા, અહંકારથી મુક્ત થા.

કોઈનેય દુઃખ દઈને મોક્ષે ના જવાય

મનુષ્ય તરીકે જગતમાં આપણા મન-વચન-કાયા લોકોને કામ લાગે એ આપણો ધર્મ છે. લોકોનો ધક્કો ખાઈએ, વાણીથી સારી સમજણ આપીએ, બુદ્ધિથી સમજણ પાડીએ, કોઈને દુઃખ ના થાય એવું આપણે વલણ રાખીએ, એ આપણો ધર્મ છે. કોઈ જીવને દુઃખ ના થાય, તેમાં બધા જીવની બાધા ના લેવાય તો મનુષ્ય એકલાનીય એવી બાધા લેવી જોઈએ. અને મનુષ્યની બાધા લીધી હોય તો બધા જીવની બાધા લેવી જોઈએ કે આ મન-વચન-કાયાથી કોઈ જીવને દુઃખ ના હો. આટલો જ ધર્મ સમજવાનો છે !

પ્રશ્નકર્તા : આપનું જ્ઞાન લીધા પછી એમ થાય છે કે ગંગાનું જેમ પવિત્ર ઝરણું વહી જાય છે, તેમ આપણે પણ વહી જવું.

દાદાશ્રી : હા, વહી જવું. કોઈને અસર ના થાય, કોઈનેય દુઃખ ના થાય એ રીતે. કોઈનેય દુઃખ દઈને આપણે મોક્ષે જઈએ, એ બને નહીં. કોઈને દુઃખ થયું એટલે આપણે વહેતા હોઈએ ત્યાંથી પેલો દોરડું નાખીને પકડશે કે ઊભા રહો, અને બધાને સુખ આપીએ તો બધા જવા દે. પાનચારો કરાવીએ તોય જવા દે, સોપારી આપીએ તોય, છેવટે લવિંગનો દાણોય આપે તોય જવા દે. લોક આશા રાખે, કંઈક મળશે. લોક આશા ના રાખે તો આપ મહેરબાન શાના ? મોક્ષે જનારા મહેરબાન કહેવાય. તે મહેરબાની દાખવતા દાખવતા આપણે જવાનું.

પ્રશ્નકર્તા : લોકોને આશા હોય પણ આપણે આશા રાખવાની શી જરૂર ?

દાદાશ્રી : આપણે આશા નહીં રાખવાની. આ તો એમને પાન-સોપારી કે કંઈક આપીને ચાલવા માંડવાનું, નહીં તો આ લોકો તો ઊંધું બોલીને અટકાવશે. એટલે આપણે અટાવી-પટાવીને કામ કાઢી લેવાનું. લોક મોક્ષે એમ ને એમ ના જવા દે. લોકો તો કહેશે, ‘અહીં શું દુઃખ છે તે ત્યાં હેંડ્યા ? અહીં અમારી જોડે મજા કરો ને !’

પ્રશ્નકર્તા : પણ આપણે લોકોનું સાંભળીએ તો ને ?

દાદાશ્રી : સાંભળીએ નહીં તોય એ ઊંધું કરશે. એમને ચારેય દિશા ખુલ્લી હોય ને તમારે એક દિશા ખુલ્લી હોય. એટલે એમને શું ? એ ઊંધું કરી શકે ને તમારાથી ઊંધું ના કરાય.

અટાવી-પટાવી કામ કાઢી લેવું હવે

બધાને રાજી રાખવાના. રાજી કરીને ચાલતા થવાનું. આમ આપણી સામે તાકીને જોતો હોય ત્યાં તેને ‘કેમ છો સાહેબ ?’ કહ્યું, તો એ ચાલવા દે અને તાકીને જોઈ રહ્યો હોય ને આપણે કશું ના બોલીએ, ત્યારે એ મનમાં કહેશે કે આ તો બહુ ‘ટેસી’(રોફ)વાળા છે ! તે પાછું તોફાન માંડે !

પ્રશ્નકર્તા : આપણે સામાને રાજી કરવા જઈએ તો આપણામાં રાગ ના પેસી જાય ?

દાદાશ્રી : એવી રીતે રાજી નહીં કરવાનું. આ પોલીસવાળાને કેવી રીતે રાજી રાખો છો ? પોલીસવાળા પર રાગ બેસે છે તમને ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તેય બધાને કંઈ રાજી રાખવાની જરૂર નથી. આપણા રસ્તામાં કોઈ આડો આવે ત્યારે એને સમજાવી-પટાવીને કામ કાઢી લેવાનું છે. આમને તો આડા આવતા વાર ના લાગે. એમનો કોઈનો આપણને ધક્કો વાગી જાય, તો સામા ફરિયાદ કરવા જવાનું નહીં, પણ અટાવી-પટાવીને કામ કાઢી લેવા જેવું છે.

કાળ વિચિત્ર આવી રહ્યો છે ! આંધીઓ ઉપર આંધીઓ થવાની છે ! માટે ચેતતા રહેજો. આ જેમ પવનની આંધીઓ આવે છે ને, તેવી કુદરતની આંધી આવી રહી છે ! મનુષ્યોને માથે મહામુશ્કેલીઓ છે. શેના આધારે જીવી રહ્યા છે, તેની પોતાને સમજણ જ નથી.

વ્યવહાર છોડશે ત્યારે છૂટાશે

પ્રશ્નકર્તા : અધ્યાત્મમાં તો આપની વાત માટે કંઈ કહેવાનું જ નથી, પણ વ્યવહારમાંય આપની વાત ‘ટોપ’ (ટોચ)ની વાત છે.

દાદાશ્રી : એવું છે ને, કે વ્યવહારમાં ‘ટોપ’નું સમજ્યા સિવાય કોઈ મોક્ષે ગયેલો નહીં. ગમે તેટલું બાર લાખનું આત્મજ્ઞાન હોય પણ વ્યવહાર સમજ્યા સિવાય કોઈ મોક્ષે ગયેલો નહીં. કારણ કે વ્યવહાર (તમને) છોડનાર છેને ? એ ના છોડે તો તમે શું કરો ? તમે ‘શુદ્ધાત્મા’ છો જ, પણ વ્યવહાર છોડે તો ને ? તમે વ્યવહારને ગૂંચવ ગૂંચવ કરો છો. ઝટપટ ઉકેલ લાવોને !

રાખો ધ્યેય પહોચવાનો ત્યાં સુધી

વીતરાગ વિજ્ઞાન એટલે શું ? કોઈ જીવને િંકચિત્માત્ર દુઃખ ના થાય. ચોર હોય, લુચ્ચો હોય, બદમાશ હોય, દાનેશ્વરી બધાને. કોઈને દુઃખદાયી ન થઈ પડે. અજ્ઞાન એ દુઃખદાયી છે બધાને, પોતાને દુઃખદાયી ને સામાનેય. વીતરાગ વિજ્ઞાન એટલે પરમાત્મા, ભગવાન પોતે જ. એ કોઈને દુઃખદાયી ના હોય. એ જેના દેહમાં પ્રગટ થાયને, એ દેહેય દુઃખદાયી ના હોય કશું, એ મનેય દુઃખદાયી ના હોય, કશુંય દુઃખદાયી ના હોય. એટલે આપણે ત્યાં સુધી જવાનું છે.

- જય સચ્ચિદાનંદ