બાળકોના પાલક બનો, માલિક નહીં

સંપાદકીય

દરેક માતા-પિતાની એ ઝંખના હોય છે કે એમનું સંતાન સંસ્કારી બને. એ સારી વાત કહેવાય પણ એને સાર્થક કરવા એમણે એ પણ વિચારવું જોઈએ કે તેઓ પોતે કેટલાં આદર્શ સંસ્કારી માતા-પિતા છે ? સંતાનને સંસ્કારી બનાવવા સૌ પ્રથમ તમને ના ગમે, એવું બાળક સામે તમે ના કરો. જેમ કે એમની હાજરીમાં ગુસ્સો કરવો, વઢવું, દલીલો કરવી એ બધું ટાળો. આપણા જેવા સંસ્કાર દેખે એવું એ કરે. ઘરની ભિન્ન ભિન્ન પ્રકૃતિઓને ઓળખીને માળી થતાં આવડે તો બગીચો કેવો દીપે ? બાળક વ્યવહારમાં એને મૂંઝવતા પ્રશ્નો પૂછવા આવે તો એને અટકાવો નહીં. એના મનને ખુલ્લા થવા દો. એની વાત ધ્યાનથી સાંભળો, એનાથી હકારાત્મક અસર પડશે.

એક માણસને કોશેટામાંથી પતંગિયું કેમ બને, એ જોવું હતું. થોડા દિવસ બાદ કોશેટામાંથી એક છિદ્ર વાટે પતંગિયું પોતાના શરીરને બહાર લાવવા સંઘર્ષ કરી રહ્યું છે. ઘણીવાર સુધી પતંગિયાને બહાર નીકળવા માટે મહેનત કરતું જોઈ તે માણસને દયા આવી. તે કોશેટાને કાળજીથી કાપી પતંગિયાને બહાર કાઢે છે. પણ પતંગિયાનું શરીર એકદમ નબળું હોય છે. એટલે પતંગિયું ઊડ્યું નહીં, ચિમળાયેલી પાંખો સાથે ઢસડાયું. પેલો માણસ દયાવૃતિને લીધે સમજ્યો નહીં કે નાના છિદ્ર વાટે બહાર આવવા માટે પતંગિયાએ સંઘર્ષ કરવો જરૂરી હતો. એ સંઘર્ષ દરમ્યાન એના શરીરમાંથી જે પ્રવાહી પાંખમાં ધકેલાય, એનાથી એને શક્તિ મળે ને ઉડવા સક્ષમ બને. પરંતુ પેલા માણસની મદદે તેને જીવનભર પંગુ બનાવ્યું. યાદ રાખો કે બાળકની પણ વધારે પડતી કાળજી લેવાથી તે પંગુ બની શકે છે. થોડો ઘણો અવરોધ, સંઘર્ષ બાળકમાં રહેલી પ્રતિભાને ખીલવવામાં આશીર્વાદ સમાન હોય છે. વિપરીત સંજોગોમાં જ બાળક નવો માર્ગ કંડારીને સફળતાના શિખરો સર કરે છે.

મા-બાપના વ્યવહારથી બાળક ખૂબ શીખે છે. ક્યાં કરકસર કરવી, ક્યાં એન્કરેજ (પ્રોત્સાહિત) કરવું, ક્યાં ડિસ્કરેજ કરવું (રોકવા) એનું બેલેન્સ જો મા-બાપને સમજાય તો બાળક બગડશે નહીં. એટલું યાદ રાખો કે આજનો ઑવરવાઈઝ વ્યવહાર એની આવતીકાલ બગાડશે. નોર્માલિટીનો વ્યવહાર બાળકની આવતી કાલ સુધારશે. માટે છોકરાને ભણતર, ગણતર ને ઘડતર ત્રણેય આપવું જરૂરી છે.

પ્રસ્તુત અંકમાં મા-બાપની અનેક મૂંઝવણોના ઉકેલ મળે છે પણ સાથે તેઓને પોતાના જીવનમાં જાતને સુધારવાની ચાવીઓ પણ મળે છે. આ સંસારના રિલેટિવ સંબંધોનું મૂલ્ય સમજી, મૂર્છા ઊડાડીને જાગૃતિ વધે અને વ્યવહાર સુખમય પૂરો થાય, તે માટે દાદાશ્રીની બોધકળા ને જ્ઞાનકળા ખૂબ ઉપયોગી નીવડે તેમ છે. જે સામાન્ય માણસને પણ વ્યવહારની ગૂંચોમાંથી બહાર કાઢી જ્ઞાનને સહારે મોક્ષના પગથિયાં ચઢાવે છે.

 

જય સચ્ચિદાનંદ.

(પા.૪)

બાળકોના પાલક બનો, માલિક નહીં

કેળવો એવું નૈતિક ચારિત્ર

પ્રશ્નકર્તા : ફાધર (પિતા)નું ચારિત્ર કેવું હોવું જોઈએ?

દાદાશ્રી : છોકરાને ગમે નહીં પપ્પાજી વગર. છોકરા રોજ કહે કે ‘પપ્પાજી, અમને બહાર નથી ગમતું, તમારી જોડે જ બહુ ગમે છે’ એવું ચારિત્ર હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : તો એવું થવા માટે શું કરવું, પપ્પાએ?

દાદાશ્રી : હવે મને જે છોકરાં મળે છે ને, તે છોકરાંને ગમતું નથી મારા વગર. ઘૈડા મળે છે તે ઘૈડાઓનેય ગમતું નથી મારા વગર. જુવાન મળે છે તે જુવાનનેય ગમતું નથી મારા વગર.

પ્રશ્નકર્તા : અમારે તમારા જેવું જ થવું છે.

દાદાશ્રી : હા, પણ એ તો તમે આ મારા જેવું કરો તો થઈ જાય. આપણે કહીએ, ‘પેપ્સી લાવો.’ તો કહેશે, ‘નથી.’ તોય કંઈ વાંધો નહીં, પાણી લઈ આવો. આ તો કહેશે, ‘કેમ લાવીને રાખી નહીં?’ એ ડખો કર્યો પાછો. અમને તો બપોરે જમવાનો ટાઈમ થયો હોય અને કહે, ‘આજ તો જમવાનું કર્યું નથી.’ હું કહું કે ‘ભઈ બરોબર, સારું કર્યું. લાય જરા પાણી-બાણી પી લઈએ, બસ.’ ‘તમે કેમ નથી કર્યું ?’ એ ફોજદાર થઈ જાય ત્યાં આગળ.

આ તો એમને એમ બાપ થઈ ગયા. છોકરો આપણી પાસેથી ખસે નહીં, એવાં બાપ થવું જોઈએ. હું એને દાદો માનું એટલે મારી જોડે બેઠો હોય તો એ ખસે નહીં. એટલે આ બધી કળાઓ (આવડવી) જોઈએ.

ચીપિયો રાખી, ઉકેલો ગૂંચ કીમિયાથી

પ્રશ્નકર્તા : ઘરમાં છોકરાની આપણી જવાબદારી છે. એનું કોઈ પણ વર્તન ખરાબ હોય તો આપણે એને સુધારવા માટે કહીએ, એનું સારું કરવા માટે એને કહીએ તો ઊલટું આપણી ઉપર જ આવી જાય. એ પોતે સમજે છે કે આ ઘરમાં એ મારા વડીલ છે. મારા સારા માટે કહે છે, મને સુધારવા માટે કહે છે. છતાંય પણ જ્યારે કહીએ ત્યારે એનાથી આપણા સામે વર્તન ઊંધું જ થઈ જાય.

દાદાશ્રી : એ આપણને કહેતા આવડતું નથી એટલે. સામી વ્યક્તિની જોખમદારી નથી. આપણને કહેતાં ના આવડે, પછી એ તો એવું જ થાય ને! તમે જાણે કલેક્ટર હો એવી રીતે કહો, એટલે એવું જ થઈ જાય ને ! તમે કારકુનની પેઠ કહો, તો એને સારું લાગે. તો એ વાત સાંભળે. તમને કેમ લાગે છે ? કલેક્ટરની પેઠ કહો એટલે વાંધા જ પડે ને ! હવે આ દેવતાને આપણે અડીએ અને એને ઓળખી જઈએ કે આ તો અડાય એવો છે જ નહીં, તો પછી આપણે ફરી એને અડવું જોઈએ?

પ્રશ્નકર્તા : ના, અડકાય નહીં.

દાદાશ્રી : જેમ દેવતાને માટે શું કરીએ છીએ ? ચીપિયાથી પકડીએ છીએ ને ? એ ચીપિયો રાખો છો ને, તમે ? ચીપિયો નથી રાખતા ? ત્યારે એમને એમ દેવતા હાથમાં ઝાલવા જઈએ તો શું થાય?

પ્રશ્નકર્તા : દાઝી જ જવાય.

દાદાશ્રી : એટલે ચીપિયો રાખવો પડે.

પ્રશ્નકર્તા : તો એ કઈ જાતનો ચીપિયો રાખવો જોઈએ ?

(પા.૫)

દાદાશ્રી : આપણા ઘરનો એક માણસ ચીપિયા જેવો છે. એ પોતે દાઝતો નથી અને સામા દાઝેલાને પકડે છે. એને બોલાવીએ ને કહીએ કે ‘ભઈ, આની જોડે હું વાત કરું ને, ત્યારે તું તે ઘડીએ ટાપશી પૂરવા લાગજે.’ એટલે પછી એ રાગે પાડી આપશે. કંઈક રસ્તો કરવો પડે. એમને એમ દેવતાને હાથે પકડવા જઈએ તો શું થાય ?

પ્રશ્નકર્તા : હા, એ બરોબર છે. પણ મારી જોડે ઊંધું વર્તન કર્યા પછી એને દુઃખ થાય છે કે મેં ખોટું કર્યું. આ ઘરમાં મોટા છે અને એમનો મારા ઉપર પ્રેમ છે. એટલે મને એ સુધારવા માંગે છે. એવું એ સમજે છે છતાંય એનું વર્તન તો એવું ને એવું જ થાય છે.

દાદાશ્રી : હા, પ્રેમ છે અને હિતની વાત કરે છે એવુંય સમજે છે, પણ આ ‘તારામાં અક્કલ નથી’ એવું એને કેમ બોલો છો ? અમે તો પ્રેમથી કહીએ છીએ, તો પ્રેમ કેળવો ને ! આવા સરસ સમજદાર થઈને....

પ્રશ્નકર્તા : એ કેવી રીતે થાય પણ ? હું એને કશુંક કહું એટલે એ ગુસ્સે થાય. એટલે હું પણ ગુસ્સે થઈ જાઉં છું.

દાદાશ્રી : ત્યારે ગુસ્સે થઈ જાવ છો, એટલે પછી નબળાઈ હોય ત્યાં સુધી શું થાય તે ? મને તો કોઈ કહે, ‘દાદાજી, તમારામાં અક્કલ નથી.’ તો હું કહું, ‘બેસ, બરાબર છે તારી વાત.’ કારણ કે એને સમજણ ના હોય તો એવું બોલે ને ! અને પછી પસ્તાય પાછો. એ કહેશે કે ‘મારાથી આ ના બોલાવું જોઈએ તોય બોલાયું.’

સત્તા નહીં, હાર્ટથી વરસાવો પ્રેમનો શાવર

(અમે કહીએ તો) સામાનો અહંકાર ઊભો જ ના થાય. અમારો સત્તાવાહી અવાજ ના હોય. એટલે સત્તા ના હોવી જોઈએ. છોકરાને તમે કહોને, તો સત્તાવાહી અવાજ ના હોવો જોઈએ.

પ્રશ્નકર્તા : હા. આપે કહેલું કે કોઈ આપણા માટે બારણાં વાસી દે, તે પહેલાં આપણે અટકી જવું.

દાદાશ્રી : હા, ખરી વાત છે. એ બારણાં વાસી દે, તે પહેલાં આપણે અટકી જવું જોઈએ. તે એને વાસી દેવાં પડે, ત્યાં સુધી(ની નોબત આવે એ) આપણી મૂર્ખાઈ કહેવાય. આવું ના હોવું જોઈએ. સત્તાવાહી અવાજ તો કોઈ દહાડો મારો નીકળ્યો જ નથી. એટલે સત્તાવાહી અવાજ ના હોવો જોઈએ. નાનો હોય ત્યાં સુધી સત્તાવાહી અવાજ દેખાડવો પડે. ચૂપ બેસી જા. તેય હું તો પ્રેમ જ દેખાડું. હું તો પ્રેમથી વશ કરવા માંગું.

પ્રશ્નકર્તા : પ્રેમમાં જેટલો પાવર છે, એટલો પાવર સત્તામાં નહીં ને!

દાદાશ્રી : ના. પણ તમને પ્રેમ ઉત્પન્ન થાય નહીં ને, જ્યાં સુધી પેલો કચરો નીકળી ના જાય ત્યાં સુધી! કચરો બધો કાઢું છું કે નહીં ? કેવા સરસ હાર્ટવાળા ! જે હાર્ટિલી હોયને, તેની જોડે ડખો ના કરવો તારે. એની જોડે સારું રહેવું. બુદ્ધિવાળા જોડે ડખો કરવો, કરવો હોય તો.

સમયના સાંધા પ્રમાણે તમે પણ ફરો

આ જગત નિરંતર ફર્યા જ કરે છે. એકને એક જાતનું રહે ને, તો માણસને ગમે જ નહીં. અને મનુષ્યનો સ્વભાવ કેવો છે, કે નાનપણમાં જોયું હોય એવું ને એવું જ આ છોકરાને કહેશે, તારે આવું કરવાનું. અલ્યા, રહેવા દે. વખત બદલાઈ ગયો, વાત બદલાઈ ગઈ.

અમારા વખતમાં છોકરો સહેજ હોટેલમાં ગયો હોય તો ઘરે મા-બાપ દમ કાઢી નાખે. કારણ કે મા-બાપે જોયેલી જ નહીં. એ અમુક 

(પા.૬)

જમાનામાં ઊછર્યા. એમના અમુક જાતના એ પર્યાય પડી ગયેલા. આ એમને ગમે નહીં અને છોકરાઓને આ ગમે. તે મતભેદ બધા, આ સાંધામાં (બાબતમાં) જ પડ્યા કરે છે ! અનંત અવતારથી, આ અવતારમાં જ આવું થયું એવું નથી, પહેલેથી જ આનું આ જ ચાલ્યું આવ્યું છે. નવા-જૂનાનો સાંધો ચાલ્યા જ કરે.

સમય પ્રમાણે આ જગત ફર્યા જ કરવાનું અને પછી ફરી ફરી પાછું એની એ જ જગ્યાએ આવે. સમય પ્રમાણે ફરવું જોઈએ બધું.

આજે બધા ઘૈડિયા, જૂના જમાનાના બધા માણસો કહે છે, દાદા, અમારા છોકરાં બગડી ગયા છે. એમને કંઈ સુધારી આપજો. મેં કહ્યું, એનો અર્થ એટલો કે તમે સુધરી ગયેલા છો અને છોકરાં તમારા બગડી ગયેલા છે ! (ત્યારે કહે,) ‘એ મંદિરમાં કોઈ દહાડો નથી આવતા.’ મેં કહ્યું, ‘તમે મંદિરમાં જઈને શું ધોળ્યું એ મને કહો.’ એના કરતા મંદિરમાં ના જતા સારા. કારણ કે આ છોકરાંઓ અંગ્રેજી ભણ્યા ને, તે નથી જતા. એ એમનામાં સમજણ આવી. આંખે દેખાય તો સત્ય માનો, અગર તો બુદ્ધિએ જણાય તો માનો. બુદ્ધિથી પણ એ સમજાતું નથી. એટલે એ સુધરી ગયા છે. કારણ કે સત્યના શોધક થયા છે.

ખુલાસા કરી મેળવો સાચી સમજ

કંઈ વાતચીત કરજો. ખુલાસો થવો જોઈએ ને! આ ક્યાં સુધી ચાલવા દેવું ? છોકરો મોટી ઉંમરનો થયો અને મતભેદ પડે તો આખી રાત ઊંઘ ના આવે. પોતાના જ છોકરાથી ઊંઘ ના આવી, જુઓને!

આ લાઈફ બધી, યુઝલેસ લાઈફ (નકામી જિંદગી) ! આખો દહાડો ચિંતા, મનુષ્યપણું જતું રહે! લાઈફ સારી ના જોઈએ, બળી ! જ્યાં મતભેદ છે ત્યાં રઝળપાટ છે. મતભેદ એટલે જુદા જુદા માર્ગ લઈને બેસવા. એડજસ્ટમેન્ટ નથી થતું, એનું કારણ શું ? કુટુંબમાં બહુ માણસ હોય તેથી ને ! બહુ માણસ હોય, તે બધાની જોડે મેળ પડતો નથી અને દહીંનો ડખો થઈ જાય પછી. દહીં આખરીયું (જમાવવું) હોય ને એનો ડખો થઈ જાય સવારમાં.

સત્યુગમાં ખેતરા, તે કળિયુગમાં બગીચા

એવું છે, આ મનુષ્યોનો સ્વભાવ તે એક જાતનો (હોતો) નથી. જેવો યુગ હોય ને, તેવો સ્વભાવ થઈ જાય છે. સત્યુગમાં બધાં એકમતે રહ્યા કરે. સો માણસ ઘરમાં હોય ને તોય પણ એ દાદાજી કહે એ પ્રમાણે ! (જ્યારે) આ કળિયુગમાં દાદાજી કહે (તો) તેમને આવડી ચોપડે. બાપ કહે તેનેય આવડી ચોપડે. કળિયુગમાં એવું અવળું હોય.

યુગનો સ્વભાવ, પણ બદલાઈ કેમ ગયું ? ત્યારે કહે, માનવ તો માનવ જ છે, મનુષ્ય જ છે પણ તમને ઓળખતાં નથી આવડ્યું. ઘરમાં પચાસ માણસ હોય, પણ આપણને ઓળખતાં આવડ્યું નહીં, એટલે ડખો થયા કરે. એને ઓળખવા જોઈએ ને, કે આ ગુલાબનો છોડ છે કે આ તો શેનો છોડ છે, એવું તપાસ ના કરવી જોઈએ ?

પહેલાં શું હતું ? સત્યુગમાં એક ઘેર બધાં ગુલાબ અને બીજાને ઘેર બધાં મોગરાં, ત્રીજાને ઘેર ચંપો ! અત્યારે શું થયું છે કે ઘરે એક મોગરો છે (અને) એક ગુલાબ છે ! જો ગુલાબ હશે તો કાંટા હશે અને મોગરો હશે તો કાંટા નહીં હોય. મોગરાનું ફૂલ સફેદ હશે, પેલાનું ગુલાબી હશે, લાલ હશે. એમ દરેક જુદાં જુદાં છોડવાં છે અત્યારે. આપને સમજમાં આવી આ વાત ?

સત્યુગમાં જે ખેતરાં હતા, તે કળિયુગમાં બગીચારૂપે થયું છે ! પણ એને જોતાં નથી આવડતું, એનું શું થાય? જેને જોતાં ના આવડે, એને દુઃખ 

(પા.૭)

જ પડે ને ! તે આ જગતની દ્રષ્ટિ નથી આ જોવાની. કોઈ ખરાબ હોતું જ નથી. આ મતભેદ તો પોતાનો અહંકાર છે. જોતા નથી આવડતું તેના અહંકાર છે. જોતાં આવડે તો દુઃખ જ નથી. મને આખી દુનિયા જોડે મતભેદ નથી પડતો. મને જોતાં આવડે છે કે ભઈ, આ ગુલાબ છે કે આ મોગરો છે ! આ પેલો ધતૂરો છે કે કડવી ગીલોડીના ફૂલ છે ! એવું બધું ઓળખું પાછો.

અપેક્ષા વિણ કરો સંસ્કારનું સિંચન

સંસ્કાર તો એવું છે ને, કે ગુલાબનું બીજ હોય ને, તે ગુલાબ જ થાય. ફક્ત એને માટી, પાણી અને ખાતર આપવાની જરૂર. પછી એને માર-માર નહીં કરવાનું રોજ. આપણા લોકો છોકરાઓને મારે ને વઢે. અલ્યા મૂઆ, ગુલાબને વઢીએ આપણે, કે કેમ કાંટા છે? તો શું થાય ? કોની મૂર્ખાઈ ? 

પ્રશ્નકર્તા : આપણી જ.

દાદાશ્રી : ત્યારે (સફેદ) ચંપાને કહીએ, ‘તું કેમ ગુલાબી રંગનો નથી ?’ તો એ ઝઘડામાં પડે ? એટલે આપણા લોકો શું કરે છે કે એમનાં છોકરાને એમના પોતાના જેવા બનાવે છે. પોતે ચીકણો હોય તો છોકરાને ચીકણો કરે. પોતે નોબલ હોય તો છોકરાને નોબલ બનાવે. એટલે પોતાના આશય ઉપર ખેંચી જાય છે. એટલે આ ઝઘડા છે. બાકી એને ખીલવા દો ને, છોકરાને ! ફક્ત એને સાચવીને પાણી, ખાતર એ બધું નાખ્યા કરવાનું.

આ છોકરાં બહુ સરસ છે ! એ કોઈ વાર બગડે નહીં. એના બીજમાં છે ગુણ એટલા જ બગડવાના, એટલું જ થવાનું. આમ રેડો, આમ ઊંધા કરો કે આમ કરો પણ એનું એ જ થવાનું. તમારે પાણી છાંટવાની જરૂર. તમારામાં જો એને સંસ્કાર દેખાય, તો એને હેલ્પ (મદદ) કરે એ. આ તો એને મારી-ઠોકીને, ‘તું ગુલાબ કેમ છું? આવો કાંટાવાળો કેમ છું ?’ બૂમાબૂમ કરી મેલે છે !

એટલે આપણે સમજી જવાનું કે આની પ્રકૃતિ ગુલાબ જેવી છે. એની પ્રકૃતિને તો ઓળખવી પડે કે ના ઓળખવી પડે ?

પ્રશ્નકર્તા : ચોક્કસ.

દાદાશ્રી : આપણે આ લીમડો દેખીએ, પછી કોઈ દહાડો મોઢામાં એના પાંદડા ઘાલીએ ખરાં ? શાથી? પ્રકૃતિ ઓળખે કે આ કડવો ઝેર જેવો. લાવ, ફરી ટ્રાયલ (તપાસ) કરીએ, કંઈક મોળો થયો હશે કે નથી થયો ?

પ્રકૃતિને ઓળખીને ખીલવો બાળકને

પ્રકૃતિને ઓળખો આ કાળમાં. આ તો એના ધાર્યા પ્રમાણે છોકરા ના કરે, એટલે છોકરા જોડે લઢવા આવે. તમારા ધાર્યા પ્રમાણે થતાં હશે ? આપણા ધાર્યા પ્રમાણે છોકરાએ ચાલવાનું? પોતપોતાનાં વ્યુ પોઈન્ટ (દ્રષ્ટિબિંદુ) ઉપર લઈ જાય છે બધાં.

આ પ્રકૃતિ ઓળખતા નથી. એટલે મેં પુસ્તકમાં લખ્યું છે, ‘આ વખતમાં ઘર બગીચો થયો છે. માટે કામ કાઢી લો.’ આ પોતે જો નોબલ હોય અને છોકરો ચીકણો હોય તો કહેશે, ‘સાવ ચીકણો છે, મારો એને.’ એને એ મારી-ઠોકીને એની જેમ નોબલ કરવા માંગે. ના થાય, એ માલ જ જુદો છે. મા-બાપ પોતાના જેવા કરવા માંગે. અલ્યા, એને ખીલવા દો. એની શક્તિઓ શું છે ? (એને) ખીલવો. કોનામાં કયો સ્વભાવ છે, એ જોઈ લેવાનો. મૂઆ, લઢો છો શેના માટે ?

એટલે આ બગીચો ઓળખવા જેવો છે. બગીચો કહું છું ત્યારે લોકો તપાસ કરે છે, પછી છોકરાને ઓળખે છે. પ્રકૃતિને ઓળખને, મૂઆ!

(પા.૮)

 ઓળખી જા ને એકવાર છોકરાને અને પછી એ પ્રમાણે વર્ત ને! એની પ્રકૃતિ જોઈને વર્તીએ તો શું થાય ? ભાઈબંધની પ્રકૃતિને એડજસ્ટ થાય છે કે નથી થતા ? એવું પ્રકૃતિને જોવી પડે, પ્રકૃતિ ઓળખવી પડે. ઓળખીને પછી ચાલીએ તો ઘરમાં ભાંજગડ ના થાય. નહીં તો બધાને, મારી-ઝુડીને મારા જેવા જ થાવ, કહે છે. શી રીતે થાય તે પેલાં?

હવે આનો મેળ ક્યારે પડે ? એટલે ત્યાં સુધી એડજસ્ટમેન્ટ આવડે નહીં અને માર ખાયા કરે. આ હકીકતમાં શું છે એ સમજવું તો પડશે ને? બગીચો જાણે તો પછી ફેરફાર ના કરે ? તમારે ત્યાં પાંચ છોડવા હતા, બે મોટા છોડવાં ને ત્રણ નાના છોડવાં. હવે એ બધા એક જ જાતના હોય ? બધાં કંઈ ગુલાબ જ હોય? આપણાં બધા છોડવાં કેમ ગુલાબ થતા નથી, એવું લાગ્યા કરેને પછી ?

પ્રશ્નકર્તા : પણ દાદા, ઠેર ઠેર બધા મા-બાપો કહે છે કે અમારાં છોકરાં ગાંઠતા નથી, એ શું છે ?

દાદાશ્રી : શેનાં ગાંઠે તે ? આ મોગરો ગુલાબને શી રીતે ગાંઠે ? હવે આપણે ગુલાબ હોઈએ એટલે પેલાને કહીએ, ‘કેમ તું આવું ફૂલ કાઢું છું ? તારું ફૂલ આવું કેમ ?’ એટલે આ ઓળખીને કશું ઝઘડા કરવા જેવું છે નહીં. બધા પોતપોતાનાં એમાં (સ્વભાવમાં) જ છે. એને ફક્ત ખાતર અને પાણી આપવાની જરૂર છે. આ તો પોતપોતાનાં આઈડીયા ઉપર લઈ જાય છે, તેથી માણસો ઊલટાં બગાડે છે. આ છોકરાને બધા બગાડી નાખ્યા લોકોએ. તમને એવું નથી લાગતું કે ભૂલ થતી હશે એવી?

પ્રશ્નકર્તા : થાય.

દાદાશ્રી : દરેક માળીને પૂછી આવો જોઈએ, એ કાંટાની બૂમો પાડે છે? પાડે જ નહીં. એ તો સાચવીને જ કામ કરે, પોતાને વાગે નહીં એવી રીતે કામ કરે. એ તો જેને ગુલાબની બહુ પડેલી નથી, એ લોકો જ કાંટાની બૂમો પાડે છે. ગુલાબની પડેલી હોય, તે તો કાંટાનો દોષ કાઢે જ નહીં ને!

અત્યારે તો દરેકના અભિપ્રાય જુદા, તે આખો દહાડો અભિપ્રાયની જ ભાંજગડ ને વઢંવઢા. અત્યારે તો બાપનો પંથ જુદો, માનો પંથ જુદો, મોટાભાઈનો પંથ જુદો, નાનાનો પંથ જુદો. આમ પ્રકૃતિ જોવા જઈએ તો બહુ સારામાં સારી, પણ એકબીજાને મેળ પડે નહીં. હું પ્રકૃતિ ઓળખું એટલે મને તો બહુ સારું લાગે.

પોતે સુધરે તો બધું સુધરશે

છોકરાંને સુધારવા હોય તો આ અમારી આજ્ઞા પ્રમાણે ચાલો. છોકરાં પૂછે તો જ બોલવાનું અને તે પણ તેમને કહી દેવાનું કે મને ના પૂછો તો સારું અને છોકરાં માટે અવળો વિચાર આવે તો તેનું તરત જ પ્રતિક્રમણ કરી નાખવું.

આ કાળમાં કોઈને સુધારવાની શક્તિ ખલાસ થઈ ગઈ છે. માટે સુધારવાની આશા છોડી દો. કારણ કે મન-વચન-કાયાની એકાત્મવૃત્તિ હોય તો જ સામો સુધરી શકે. મનમાં જેવું હોય તેવું વાણીમાં નીકળે ને તેવું જ વર્તનમાં હોય તો જ સામો સુધરે. અત્યારે એવું છે નહીં. ઘરમાં દરેકની જોડે કેવું વલણ રાખવું તેની ‘નોર્માલિટી’ લાવી નાખો. આચાર, વિચાર ને ઉચ્ચારમાં સવળો ફેરફાર થતો જાય, તો પોતે પરમાત્મા થઈ શકે છે ને અવળો ફેરફાર થાય તો રાક્ષસ પણ થઈ શકે છે!

લોકો સામાને સુધારવા માટે બધું ફ્રેકચર કરી નાખે છે. પહેલાં પોતે સુધરે તે બીજાને સુધારી શકે, પણ પોતે સુધર્યા વગર સામો કેમનો સુધરે? માટે પહેલાં તમારા પોતાના બગીચાનું સંભાળો, 

(પા. ૯)

પછી બીજાનું જોવા જાવ. તમારું સંભાળશો તો જ ફળ-ફૂલ મળશે.

એટલે છોકરાં સુધારવા માટે પોતાને સુધરવાની જરૂર છે. ભગવાને કહ્યું, ‘તું સુધર, તો તારી હાજરીથી બધું સુધરશે !’

સુધરેલો કોને કહેવાય?

પ્રશ્નકર્તા : સુધરેલાની વ્યાખ્યા શું ?

દાદાશ્રી : તમે વઢો તોય એને એમાં પ્રેમ દેખાય. તમે ઠપકો આપો તોય એને તમારામાં પ્રેમ દેખાય કે ‘ઓહોહો ! મારા ફાધરનો મારા પર કેટલો બધો પ્રેમ છે !’ ઠપકો આપો પણ પ્રેમથી આપો તો સામો સુધરે.

સામો સુધરે એ માટે આપણા પ્રયત્નો રહેવા જોઈએ, પણ જે પ્રયત્નો ‘રિએક્શનરી’ હોય એવા પ્રયત્નોમાં ના પડવું. આપણે એને ટૈડકાવીએ ને એને ખરાબ લાગે એ પ્રયત્ન ના કહેવાય. પ્રયત્ન અંદર કરવા જોઈએ, સૂક્ષ્મ રીતે ! સ્થૂળ રીતે જો આપણને ના ફાવતું હોય તો સૂક્ષ્મ રીતે પ્રયત્નો કરવા જોઈએ. વધારે ઠપકો ના આપવો હોય તો થોડાકમાં કહી દેવું જોઈએ કે ‘આપણને આ શોભે નહીં.’ બસ આટલું જ કહીને બંધ રાખવું. કહેવું તો પડે, પણ કહેવાની રીત હોય.

અજમાવો પ્રેમનો પ્રયોગ

એટલે તમે થોડો પ્રયોગ મારા કહ્યા પ્રમાણે કરો ને !

પ્રશ્નકર્તા : શું કરવાનું ?

દાદાશ્રી : પ્રેમથી બોલાવો ને !

પ્રશ્નકર્તા : એ જાણે છે કે મારો એના પર પ્રેમ છે.

દાદાશ્રી : એવો પ્રેમ કામનો નહીં. કારણ કે તમે બોલો છો, તે ઘડીએ પછી કલેક્ટરની પેઠ બોલો છો. આપણું બોલેલું ફળતું ના હોય તો આપણે બંધ થઈ જવું જોઈએ. આપણે મૂરખ છીએ, આપણને બોલતા નથી આવડતું, માટે બંધ થઈ જવું જોઈએ. આપણું બોલેલું ફળે નહીં અને ઊલટું આપણું મન બગડે, આપણો આત્મા બગડે. આવું કોણ કરે તે ?

એટલે એક માણસ સુધારી શકાય એવો આ કાળ નથી. એ જ બગડેલો છે, સામાને શું સુધારે તે ? એ જ ‘વિકનેસ’(નબળાઈ)નું પૂતળું હોય, તે સામાને શું સુધારે તે ? એને માટે તો બળવાનપણું જોઈએ. એટલે પ્રેમની જ જરૂર છે. હંમેશા પ્રેમથી જ સુધરે દુનિયા. એ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી એના માટે.

પ્રશ્નકર્તા : આપણે પ્રેમ રાખીએ અને સામો માણસ આપણો પ્રેમ સમજે નહીં, તો આપણે શું કરવું પછી ?

દાદાશ્રી : શું કરવાનું ? શાંત રહેવાનું આપણે. બીજું શું કરીએ આપણે એને ? કંઈ મારીએ એને ?

પ્રશ્નકર્તા : પણ આપણે એ કક્ષાએ નથી પહોંચ્યા કે શાંત રહી શકીએ.

દાદાશ્રી : તો કૂદીએ આપણે તે ઘડીએ! બીજું શું કરવું? પોલીસવાળો ટૈડકાવે ત્યારે કેમ શાંત રહો છો?

પ્રશ્નકર્તા : પોલીસવાળાની સત્તા છે.

દાદાશ્રી : તો આપણે એને ઓથોરાઈઝ (અધિકૃત) કરવા. પોલીસવાળા આગળ સીધા રહીએ અને અહીં આગળ સીધા ના રહેવાય?

તપ કરીને પણ સીંચો સંસ્કાર

સુધારવા માટે આપણી દશા બહુ ઊંચી 

(પા.૧૦)

જોઈએ, ત્યારે માણસ સુધરે ! આ તો પોતાને ધંધા કરવા છે, લાખો કમાવવા છે અને ઘર તરફ દુર્લક્ષ સેવવું છે, ત્યારે છોડી (છોકરી) જતી જ રહે ને, પછી બીજું શું થાય? છોડીઓ પાછળ, છોકરા પાછળ તો ધ્યાન આપવું જોઈએ. સંસ્કાર આપણે આપવાના છે.

આ તો શેઠ આખો દહાડો લક્ષ્મીના ને લક્ષ્મીના વિચારોમાં ઘૂમ્યા કરે ! એટલે મારે શેઠને કહેવું પડે છે કે ‘શેઠ, તમે લક્ષ્મી પાછળ પડ્યા છો ? ઘર બધું ભેલાઈ ગયું છે ! છોડીઓ મોટર લઈને આમ જતી હોય, છોકરાઓ તેમ જાય ને શેઠાણી આ બાજુ જાય. શેઠ, તમે તો બધી રીતે લૂંટાઈ ગયા છો !’ ત્યારે શેઠે પૂછયું, ‘મારે કરવું શું ?’ મેં કહ્યું, ‘વાતને સમજો ને કેવી રીતે જીવન જીવવું એ સમજો. એકલા પૈસા પાછળ ના પડો. શરીરનું ધ્યાન રાખતા જાવ, નહીં તો હાર્ટ-ફેઈલ થશે. શરીરનું ધ્યાન, પૈસાનું ધ્યાન, છોકરીઓના સંસ્કારનું ધ્યાન, બધા ખૂણા વાળવાના છે. એક ખૂણો તમે વાળ વાળ કરો છો ! હવે બંગલામાં એક જ ખૂણો ઝાપટ ઝાપટ કરીએ ને બીજે બધે પૂંજો પડ્યો હોય તો કેવું થાય? બધા જ ખૂણા વાળવાના છે. આ રીતે તો જીવન કેમ જીવાય ?’ માટે એમની જોડે સારું વર્તન (કરો). જો મા-બાપ સારાં હોય ને તો છોકરાં સારાં થવાના, ડાહ્યાં થવાનાં. આપણે પોતે તપ કરો પણ આ છોકરાઓને ઊંચા સંસ્કારી બનાવો.

શીખો ફેમિલી ઓર્ગેનાઈઝેશન

કોઈનો દોષ નથી આમાં. બધે જ આવું થઈ ગયેલું છે. એટલે ફેમિલી વિજ્ઞાન પહેલું જાણવું જોઈએ, હાઉ ટુ ઓર્ગેનાઈઝ ફેમિલી ? (કુટુંબની વ્યવસ્થિત ગોઠવણ કેવી રીતે કરવી ?) આ લોકોને પિતા થતા આવડતું નથી અને માને મા થતા નથી આવડતું. મા નવી જ જાતનું છોકરાને કહે. કારણ કે મા સિનેમા જોવા જાય અને છોકરાને આયા (નોકરાણી) પાસે મૂકી દે એટલે થઈ ગયું, છોકરાનુંયે કામ થઈ ગયું ને માનુંયે કામ થઈ ગયું. ઓર્ગેનાઈઝ થઈ ગયું ! આ ફેમિલી ઓર્ગેનાઈઝ થઈ ગયું ! જાવ, ખઈ-પીને લહેર કરો. આ કેવા સંસ્કારી લોક આપણે! જેનો જોટો ના જડે એવા આપણે સંસ્કારી !

દાદા શીખવે વ્યવહારમાં ઘટિત પ્રમાણ

પ્રશ્નકર્તા : હજુ છોકરાંની બાબતમાં કયું ઘટિત છે ને કયું અઘટિત છે એ સમજાતું નથી.

દાદાશ્રી : જેટલું સામા જઇને કરીએ છીએ એ જ દોઢ ડહાપણ છે. તે પાંચ વર્ષ સુધી જ કરવાનું હોય. પછી તો છોકરો કહે કે ‘બાપુજી, મને ફી આપો.’ ત્યારે આપણે કહીએ કે ‘ભઇ, પૈસા કંઇ અહીં આગળ નળમાં આવતા નથી. અમને બે દહાડા આગળથી કહેવું. અમારે ઉછીના લાવવા પડે છે.’ એમ કહીને બીજે દહાડે આપવા. છોકરાં તો એમ સમજી બેઠાં હોય છે કે નળમાં પાણી આવે એમ બાપુજી પાણી જ આપે છે. માટે છોકરાં જોડે એવો વ્યવહાર રાખવો કે એની સગાઇ રહે અને બહુ ઉપર ચઢી વાગે નહીં, બગડે નહીં. આ તો છોકરાં ઉપર એટલું બધું વહાલ કરે કે છોકરો બગડી જાય ! અતિશય વહાલ તે હોતું હશે ? આ બકરી જોડે વહાલ આવે ? બકરીમાં ને છોકરામાં શો ફેર છે ? બેઉમાં આત્મા છે. અતિશય વહાલેય નહીં ને નિઃસ્પૃહ પણ નહીં થઇ જવાનું. છોકરાંને કહેવું કે કંઇ કામકાજ હોય તો પૂછજો. હું બેઠો છું ત્યાં સુધી કંઇ અડચણ હોય તો પૂછજો. અડચણ હોય તો જ, નહીં તો હાથ ઘાલીએ નહીં.

દોઢ ડહાપણના છે દુઃખો

આ ‘ઓવરવાઈઝ’ થયેલા તે તેનાં દુઃખ છે 

(પા.૧૧)

બધાં. એને ગુજરાતીમાં શું કહે ‘ઓવરવાઈઝ’ને, બેન?

પ્રશ્નકર્તા : દોઢડાહ્યો.

દાદાશ્રી : હા, દોઢડાહ્યો કહે. પાછો ડાહ્યો હતો, તેનો હવે દોઢડાહ્યો થયો, તેના દુઃખ છે આ બધાં ! ‘નોર્માલિટી’, નાઈન્ટી એઈટ ઇઝ ધ નોર્મલ. નાઈન્ટી નાઈન ઈઝ ધ એબોવ નોર્મલ. (અઠ્ઠાણું એ સામાન્ય છે, નવ્વાણું એ સામાન્ય કરતા વધારે છે.) ‘100’ એ પણ ‘એબોવ નોર્મલ’ કહેવાય. એટલે ‘એબોવ નોર્મલ’ (સામાન્યથી વધારે) વિચાર કરવા એ ‘ફીવર’ (તાવ) છે અને ‘બિલો નોર્મલ’ (સામાન્યથી ઓછા) વિચાર કરવા તેય ‘ફીવર’ છે. તમને ‘ફીવર’ આવે છે, આ વિચારનો ફીવર ?

ભણતર સાથે જરૂર ગણતરની

પ્રશ્નકર્તા : છોકરાંના ઘડતર માટે કે સંસ્કાર માટે આપણે કશો વિચાર જ નહીં કરવાનો ?

દાદાશ્રી : વિચાર કરવા માટે વાંધો નથી.

પ્રશ્નકર્તા : એમને ભણાવવાનો શું ધ્યેય હોવો જોઈએ ?

દાદાશ્રી : ઊંધે રસ્તે ના જાય તે. અભણ હોય તે ક્યાં ક્યાં જતો હોય ? અભણને ટાઈમ મળે, તે કઈ બાજુ જાય ? એ ભાંગફોડિયામાં પેસી જાય બધું. એટલે ભણવાથી આપણી આટલી સ્થિરતા રહે છે અને એમનામાંય ભણવાથી વિનય તો સહેજ આવે જ છે. હાઉ ટુ એડજસ્ટ વિથ પબ્લીક (લોકો સાથે કેવી રીતે એડજસ્ટ થવું) એ આવે છે. આ ભણતર વધ્યું એને લીધે ડેવલપ થયો. ખોટાં દુરાગ્રહ ને ખોટી ધમાલો બધી તૂટી ગઈ. અને પોતાના મોહની જ પડેલી. એને કુટુંબને ફાયદો થાય કે એવું તેવું કંઈ જ પડેલી નથી, સહેજેય. હું બધાની તપાસ કરું ને, તે બધું મારા હિસાબમાં આવી જાય.

એકલું ભણ-ભણ કરવાની દાનતમાં હોય એને વેદિયો કહે છે. આજના છોકરાઓને એ ભાન જ નથી. એક જ ભણવાનું, ભણવાનું ને ભણવાનું જ, બીજું કશું ગણવાનું તો સમજ્યા જ નથી. એ ભણે જ છે, એ ગણેલા નથી. અમારા વખતમાં તો ગણતર ને ભણતર બન્ને સાથે ચાલતું અને અત્યારે તો ભણતર, તેય એક જ લાઈન, પછી આવડી જ જાયને ! એમાં બીજું શું કરવાનું ? ભણતર એ બધું થિયરેટિકલ છે, એ પ્રેક્ટિકલ નથી. પ્રેક્ટિકલ થાય ત્યારે સાચું, ગણતર એ પ્રેક્ટિકલ છે.

જમાના પ્રમાણે ના વર્તે તો મૂર્ખ થઈએ

(જ્યાં સુધી) બાબો તમારી પાસે છે, ત્યાં સુધી બાબાના વિચાર તમારે કરવાના. બાબો અહીંથી તમે દેશમાં (બીજે ભણવા) મોકલો એટલે બાબાના વિચાર તમારે છોડી દેવાના અને પછી કાગળ લખવો, કે ભઈ, તું એનો જવાબ આપજે અમને, તેટલું જ. બીજી ભાંજગડમાં નહીં ઊતરવાનું અને તારે શું શું જોઈએ છે, અમને લખી મોકલજે. કોઈ જાતની ‘વરીઝ’ (ચિંતા) રાખીશ નહીં. એ તો આપણી ફરજો બજાવવાની છે. તો એનો પ્રેમ રહે આપણી ઉપર!

છોકરો પંદર વરસનો થાય ત્યાં સુધી એને આપણે કહેવું, ત્યાં સુધી આપણે જેવાં છીએ એવો તેને ઘડી આપીએ. પછી એને એની વહુ જ ઘડી આપશે. આ ઘડતાં નથી આવડતું, છતાં લોક ઘડે જ છે ને ! એથી ઘડતર સારું થતું નથી, મૂર્તિ સારી થતી નથી. નાક અઢી ઈંચનું હોય ત્યારે સાડા ચાર ઈંચનું કરી નાખે ! પછી એની વાઇફ આવશે તે કાપીને સરખું કરવા જશે. પછી પેલોય પેલીનું કાપશે ને કહેશે, ‘આવી જા.’

(પા.૧૨)

પછી તમારે વહુને હઉ ઘેર રાખવી છે અને છોકરાનેય ઘેર રાખવો છે ? પાછો તે બાપો થાય ત્યાં સુધી ? એક છ મહિનામાં કકળાટ ઊભો થશે ! એવી વસ્તુ જ ના કરશો. મોટો થાય તો આપણે આ ફોરેનવાળાની પેઠ રાખવું, અઢાર વર્ષનો થાય બાબો, એટલે પછી ‘તું જુદો રહે’ કહીએ. આપણું ડિલિંગ (વ્યવહાર) બહુ ઊંચું છે ફોરેનવાળા કરતાં. જુદો રહ્યા પછી એકતા જેવું જ ડિલિંગ રાખીએ છીએ. પેલા ફોરેનવાળા નથી રાખતા બરાબર. આ જમાનો જુદી જાતનો છે ! જમાના પ્રમાણે ના વર્તીએ તો મૂર્ખ થઈએ (ઠરીએ).

એક આંખમાં પ્રેમ ને એક આંખમાં કડકાઈ

તમારા ઉશ્કેરાટથી છોકરાં અવળે રસ્તે ચઢ્યા. જવાબદારી ખરી કે નહીં ? માટે દરેકમાં ‘નોર્માલિટી’ લાવી નાખો. એક આંખમાં પ્રેમ ને એક આંખમાં કડકાઈ રાખવી. કડકાઈથી સામાને બહુ નુકસાન નથી થતું, ક્રોધ કરવાથી બહુ નુકસાન થાય છે. કડકાઈ એટલે ક્રોધ નહીં, પણ ફૂંફાડો. અમે પણ ધંધા પર જઈએ એટલે ફૂંફાડો મારીએ, ‘કેમ આમ કરો છો ? કેમ કામ નથી કરતાં ?’ વ્યવહારમાં જે જગ્યાએ જે ભાવની જરૂર હોય, ત્યાં તે ભાવ ઉત્પન્ન ના થાય તો એ વ્યવહાર બગાડ્યો કહેવાય.

એક બેન્કનો મેનેજર કહે છે, ‘દાદાજી, હું તો કોઈ દહાડોય વાઈફને કે છોકરાને કે છોડીને એક અક્ષરેય બોલ્યો નથી. ગમે તેવી ભૂલો કરે, ગમે તે કરતાં હોય, પણ મારે બોલવાનું નહીં.’ એ એમ સમજ્યો કે દાદાજી, મને એવી પાઘડી પહેરાવી દેશે, સરસ! એ શું આશા રાખતો હતો, સમજાયું ને ? અને મને એની પર ખૂબ રીસ ચઢી કે તમને કોણે બેન્કના મેનેજર બનાવ્યા તે ? તમને છોડી-છોકરાં સાચવતાં નથી આવડતાં ને વહુ (પત્ની) સાચવતાં નથી આવડતી! તે એ તો ગભરાઈ ગયો બિચારો. મેં તેમને કહ્યું, ‘તમે છેલ્લામાં છેલ્લા પ્રકારના નકામા માણસ છો. આ દુનિયામાં કશા કામના તમે નથી.’ પેલો માણસ મનમાં સમજે કે હું આવું કહીશ એટલે આ ‘દાદા’ મને મોટું ઈનામ આપી દેશે. મેર ગાંડિયા, આનું ઈનામ હોતું હશે ? છોકરો ઊંધું કરતો હોય, ત્યારે એને આપણે ‘કેમ આવું કર્યું ? હવે આવું નહીં કરવાનું.’ એમ નાટકીય બોલવાનું. નહીં તો બાબો એમ જ જાણે કે આપણે જે કંઈ કરીએ છીએ તે ‘કરેક્ટ’ (સાચું) જ છે. કારણ કે બાપાએ ‘એક્સેપ્ટ’ (સ્વીકાર) કર્યું છે. આ ના બોલ્યા, તેથી તો ઘરનાં ફાટી ગયા છે. બોલવાનું બધું પણ નાટકીય ! છોકરાઓને રાત્રે બેસાડી સમજાવીએ, વાતચીત કરીએ. ઘરનાં બધા ખૂણામાં પૂંજો તો વાળવો પડશે ને ? છોકરાઓને જરાક હલાવવાની જ જરૂર હોય છે. આમ સંસ્કાર તો હોય છે પણ હલાવવું પડે.

સુપરફલુઅસ વ્યવહારમાં, જાગૃતિ નિશ્ચયની

સંસારમાં ડ્રામેટિક (નાટકીય) રહેવાનું છે. ‘આવો બેન’, ‘આવ બેબી’, તેય બધું છે તે સુપરફલુઅસ કરવાનું છે. ત્યારે અજ્ઞાની શું કરે કે સોડમાં ઘાલ ઘાલ કરે, તો પેલી બેબીય એની પર ચિઢાયા કરે અને જ્ઞાની પુરુષ વ્યવહારમાં ‘સુપરફલુઅસ’ રહે તો બધાય ખુશ રહે એમની પર. કારણ કે લોકોને ‘સુપરફલુઅસ’ જોઈએ છે. બહુ આસક્તિ લોકોને નથી ગમતી.

જેમ નાટકમાં ડ્રામા કરે છે ને, એના જેવું ‘સુપરફ્લુઅસ’ રહેવાનું છે. છોકરાંને વઢવું પડે, બઈને બે શબ્દ કહેવાં પડે, પણ નાટકીય ભાષામાં, ઠંડકથી ગુસ્સો કરવાનો. નાટકીય ભાષા એટલે શું કે ઠંડકની સાંકળ ખેંચીને ગુસ્સો કરવાનો, એનું નામ નાટક !

આ બધી ક્રિયા છે, તેને પોતાની ક્રિયા માની લીધી. એ ખોટી ‘બીલિફ’ (માન્યતા) 

(પા.૧૩)

થઈ છે. આ ‘સુપરફ્લુઅસ’ છે. આને મનમાં રાખી મૂકવા જેવું ન્હોય, ચિત્તમાં ફોટોગ્રાફી લેવા જેવું ન્હોય. આ તેથી આપણે કહીએ છીએ ને કે તમને ‘આ’ જ્ઞાન આપ્યું છે, તમે ‘હોમ ડીપાર્ટમેન્ટ’માં તમારી રૂમમાં રહો અને ‘ફોરેન’માં ‘સુપરફ્લુઅસ’ રહેજો. આ ‘રિલેટિવ’ છે બધો વ્યવહાર. ‘રિયલ’ એકલું જ નિશ્ચય છે, હકીકત સ્વરૂપ છે, વાસ્તવિક છે !

વ્યવહારમાં પણ જાગૃતિપૂર્વક થાય ત્યારે ‘પ્રોગ્રેસ’ (પ્રગતિ) કહેવાય. વ્યવહારમાં પોતાનો છોકરો છે એવું કહે ખરો, પણ મહીં પોતાનો છે એવા પરિણામ ના વર્તતા હોય. આત્મા કોઈનો છોકરો થાય નહીં, આત્મા કોઈનો પુત્ર કે પિતા થાય ? એટલે એ જાગૃતિપૂર્વકનું હોવું જોઈએ. આમ વ્યવહારમાં વાતચીત કરીએ, પણ નાટકની પેઠે અને અંદર જાગૃતિ રહેવી જોઈએ. આપણે આત્મા જ છીએ, એવું રહેવું જોઈએ. બધાનામાં શુદ્ધાત્મા જો જો કર્યા કરવા. મોક્ષે જવું હોય તો તમારાં કોઈ પુત્ર-પુત્રી છે નહીં. સંસારમાં રહેવું હોય તો પુત્ર-પુત્રી તમારાં જ છે.

સમજો એન્કરેજ ને ડિસ્કરેજનું પ્રમાણ

પ્રશ્નકર્તા : આદર્શ પિતા તરીકે પુત્ર માટેની બધી ફરજો શું એ કહો.

દાદાશ્રી : હા, એ ફરજો બધી એક્ઝેક્ટ (બરાબર) હોવી જોઈએ. છોકરાની જોડે ક્યાં આગળ એને એન્કરેજ (પ્રોત્સાહન) કરવો, ક્યાં આગળ ડિસ્કરેજ કરવો, કેટલાં પ્રમાણમાં ડિસ્કરેજ (બિનપ્રોત્સાહિત) કરવો, કેટલા પ્રમાણમાં એન્કરેજ કરવો, આ બધું એણે સમજવું જોઈએ. અત્યારના આ સમજણ છે નહીં. તેને લીધે છોકરાં બધા એવી ઘરેડમાં પાકે છે. પછી છોકરાને કોઈ સંસ્કાર જ નથી મળેલા. એટલે બિચારાંની આવી દશા થઈ છે હિન્દુસ્તાનમાં !

પ્રશ્નકર્તા : છોકરાં તો જે પોતાનાં સંસ્કાર લઈને આવેલાં છે તે તો છે જ, હવે એ સંસ્કારમાં પણ....

દાદાશ્રી : છોકરાં તો એનાં સંસ્કાર લઈને આવે, પણ હવે તમારે ફરજો બજાવવાની રહી.

પ્રશ્નકર્તા : એમાં આદર્શ પિતાની શું ફરજો ?

દાદાશ્રી : હા, તે એનાં કયા કયા સંસ્કાર ખોટા છે, એ આપણે જાણી લેવું જોઈએ. કયા સારા છે ? એમાં વખતે ઊંઘીશું તો ચાલશે, પણ જ્યાં ખરાબ હોય ત્યાં જાગૃત રહેવું જોઈએ. અને હવે એને કેમ કરીને ફેરવવો જોઈએ, એ બધું આપણે લક્ષમાં રાખવું જોઈએ.

પ્રશ્નકર્તા : આપણે પ્રયત્નો તો બધાં કરીએ છીએ એને સુધારવા માટે, તેમ છતાંય પેલો ના સુધરે તો પછી એનું પ્રારબ્ધ કરીને છોડી દેવું, આદર્શ પિતાએ?

દાદાશ્રી : ના, પણ પ્રયત્ન તે તમે તમારી રીતે કરો છો ને ? સર્ટિફિકેટ છે તમારી પાસે ? મને દેખાડો.

પ્રશ્નકર્તા : અમારી બુદ્ધિમાં જેટલાં આવે એવા પ્રયત્નો કરીએ.

દાદાશ્રી : તમારી બુદ્ધિ એટલે જો હું તમને કહી દઉં કે એક માણસ જજ પોતે હોય, આરોપી પોતે હોય, અને વકીલ પોતે હોય, તો કેવો ન્યાય કરે ? બાકી છોડી ના દેવું જોઈએ, કોઈ દા’ડોય. એની પાછળ ધ્યાન રાખ્યા કરવું જોઈએ. છોડી દઈએ તો તો પછી એ ખલાસ થઈ જાય. પોતાનાં સંસ્કાર તો લઈને જ આવે છે છોકરું, પણ એમાં તમારે હેલ્પ (મદદ) કરી અને એ સંસ્કારને રંગ આપવાની જરૂર છે.

પ્રશ્નકર્તા : હા, એ તો કરીએ છીએ પછી લાસ્ટ સ્ટેજે, એ પ્રારબ્ધ પર છોડી દેવું જોઈએ ?

(પા.૧૪)

દાદાશ્રી : ના, છોડાય નહીં. એ છોડવાનું થાય ત્યારે મારી પાસે તેડી લાવજો. હું ઓપરેશન કરી આપીશ (સમજણ પાડીશ). છોડી ના દેવાય, જોખમદારી છે.

યોગ્ય જગ્યાએ અહંકારને પીવડાવો પાણી

એક બાપને તો છોકરો એની મૂછો ખેંચતો હતો, તે બાપા ખુશ થઈ ગયા. કહે છે, ‘કેવો બાબો ! જુઓને, મારી મૂછો ખેંચી !’ લે ! પછી એનું કહેલું કરીએ તો, છોકરો મૂછો ઝાલે ને ખેંચ ખેંચ કરે તોય આપણે કશું ના બોલીએ, ત્યારે શું થાય પછી ? બીજું કશું ના કરીએ, તો જરા ચૂંટી ખણીએ. ચૂંટી ખણવાથી એ જાણે કે આ વાત ખોટી છે. હું જે કરી રહ્યો છું આ વર્તન, ‘એ ખોટું છે’ એવું એને જ્ઞાન થાય. બહુ મારવાનું નહીં, સાધારણ ચૂંટી ખણવાની.

એટલે એને જ્ઞાન થવું જોઈએ કે આ મૂછો ખેંચીએ છીએ ત્યારે એક બાજુ આ ચૂંટી વાગે છે. એ જ્ઞાન ખોળે છે. આવું કરવાથી શું જ્ઞાન થાય છે ? જો ત્યાં આગળ એન્કરેજ કરે કે બહુ સરસ, બાબો કેવો સરસ, તે એન્કરેજમેન્ટ થઈ ગયું. પછી વધારે ખેંચશે ફરીવાર !

આપણે દરેક બાબતમાં છોકરાંઓને સમજણ પાડવી જોઈએ કે આ ખોટું છે. એ એમને ખ્યાલમાં આવવું જોઈએ. નહીં તો એ બધા શું માની લે છે કે હું કરું છું એ બધું ખરું કરું છું. એટલે પછી અવળે રસ્તે ચઢે છે. એટલે છોકરાંને કહી દેવાનું.

એણે સારું કામ કર્યું હોય, તો એને શાબાશી આપવી જોઈએ અને તે એને કંઈ આગળ ઠોકવાનું? આપણે પાછળ જ્યાં (પીઠમાં) ટપલો મારીએ છીએ ને! ત્યારે અહંકાર એન્કરેજ (પ્રોત્સાહિત) થાય. એટલે પછી સારું કામ કરે ફરી.

નાના છોકરાને અહંકાર સુષુપ્ત દશામાં હોય. અહંકાર તો હોય પણ તે કોમ્પ્રેસ થઈને (દબાઈ) રહેલો હોય. એ તો જેમ જેમ મોટો થતો જાય તેમ ફૂટે. નાના છોકરાને અહંકારના ખોટા પાણી ના પાઈએ તો જ ડાહ્યા થાય. તેમના અહંકારને પોષવા તમારા થકી ખોરાક ના મળે તો છોકરા સુંદર-સંસ્કારી થાય.

બાપો-મૂળો, મા-ગાજર તો છોકરા કેવા પાકે ?

મા-બાપ તરીકે કેમ રહેવું તેનુંય ભાન નથી ! હવે એક બાપ તો એવું કહેતો હતો, એના છોકરાએ શું કર્યું ? પગ ઊંચા કરી, પગની એડીઓ ઊંચી કરી અને કોટના ગજવામાંથી પચ્ચીસ પૈસા કાઢ્યા. એનો બાપ બેઠો હતો તે જોઈ ગયો, કે હવે શું હોશિયાર થઈ ગયો છોકરો તો ! એટલે એના બાપે બાબાની મમ્મીને બોલાવી. ત્યારે પેલી રોટલી વણતી હતી. તે કહે છે, ‘શું કામ છે ? હું રોટલી વણું છું.’ ‘તું અહીંયા આય, જલ્દી આય, જલ્દી આય, જલ્દી આય.’ પેલી દોડતી દોડતી આવી. ‘શું છે ?’ ત્યારે કહે, ‘જો, જો, બાબો કેટલો હોશિયાર થઈ ગયો ! જો પગની એડીઓ ઊંચી કરી અને મહીંથી આ પચ્ચીસ પૈસા કાઢ્યા.’ એટલે બાબો જોઈને કહે, ‘આ સરસમાં સરસ કામ મેં આજે કર્યું ! આવું કામ હું શીખી ગયો હવે.’ એટલે પછી ચોર થયો. પછી શું થાય? ‘ફરી ગજવામાંથી કાઢવું એ સારું છે’ એવું એને જ્ઞાન પ્રગટ થઈ ગયું. તમને કેમ લાગે છે ? કેમ બોલતાં નથી ? આવું કરવું જોઈએ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : મેર ચક્કર, આવા કંઈથી પાક્યા ! આ બાપ થઈ બેઠા! શરમ નથી આવતી ? આ બાબાને કેવું ઉત્તેજન મળ્યું એ સમજાય છે? બાબાએ જોયા કર્યું કે આપણે બહુ મોટું પરાક્રમ કર્યું! આવું આવું લૂંટાઈ જાય તે શોભે આપણને ? શું બોલવાથી છોકરાંને સારું ‘એન્કરેજમેન્ટ’ થાય ને 

(પા.૧૫)

શું બોલવાથી તેને નુકસાન થાય, એનું ભાન તો હોવું જોઈએ ને? મૂઆ, માર એક લાફો એટલે એ સમજે કે આ ગજવામાંથી પૈસા કાઢ્યા એ ખોટું જ્ઞાન છે અને પછી સારું કામ કરે, તો પછી એને એન્કરેજ કર. આ તો ‘અન્ટેસ્ટેડ ફાધર’ ને ‘અન્ટેસ્ટેડ મધર’ છે. બાપ મૂળો ને મા ગાજર. પછી બોલો, છોકરાં કેવાં પાકે ? કંઈ સફરજન ઓછાં થાય?

રાજાને રાજ ચલાવતા ના આવડતું હોય તો પ્રજા દુઃખી થઈ જાય અને બાપને છે તે ઘર ના ચલાવતા આવડે તો છોકરાં બગડી જાય ! એટલે હાઉ ટુ ચેન્જ (કેમ બદલવું), એ તો આપણે ના જાણવું જોઈએ, મા-બાપે? તે તેથી જ અન્કવૉલિફાઈડ (બિન આવડતવાળા) મારે લખવું પડ્યું બધાને. મને કંઈ તિરસ્કાર કરવાનું સારું લાગે? ના સારું લાગે. પણ જરાક તો તમે ટ્રેઈન કરો (તાલીમ આપો) આમને!

કળથી વળે અહંકાર લઘુતમ ભણી

પ્રશ્નકર્તા : સ્વતંત્રતા અને સ્વચ્છંદતા ઘરમાં એટલી બધી ઘુસી ગઈ છે ને, પોતાનાં જ બાળકોને કહીએ તો આપણું સાંભળતાં જ નથી.

દાદાશ્રી : બળ્યું, આ પાંચ મિનિટમાં જ મારી પાસે સુધરી જાય છે. આમની પાસે આખી જિંદગી નથી સુધરતાં તે ના સમજીએ કે એ ઘણથી બાવળિયા પાડવા જાય છે ! કુહાડાથી બાવળિયા પાડવા જોઈએ કે ઘણથી પાડવા જોઈએ ?

પ્રશ્નકર્તા : કુહાડાથી !

દાદાશ્રી : તો ઘણથી માર-ઠોક કરે, આમ ઠોકે કે આમથી ઠોકે, (તો) પડે બાવળિયો ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : એક બાપ છે તે એનો આવડો ત્રણ વર્ષનો છોકરો હતો. તેને અહીં દર્શન કરાવવા તેડી લાવ્યો અને છોકરાને કહે છે, ‘‘ભઈ, તું દર્શન કર દાદાના, દાદાજીને જે’ જે’ કર.’’ ત્યારે પેલો કહે, ‘ના.’ ચોખ્ખું જ ના કહ્યું, ‘નહીં કરું’, કહે છે. ના માન્યું તે ના જ માન્યું. ત્યારે બાપાએ શું કર્યું? આખો ઊંચકીને અહીં અડાડી દીધો. એટલે પેલો બાપા સામે જોઈને આમ ચીઢાયો, તે પછી માર માર કર્યો બાપાને. આની પાછળ શું હશે? ત્યારે મેં કહ્યું, ‘આ બાપાની ભૂલ છે, છોકરાની ભૂલ છે કે મારી ભૂલ છે આ ?’ કોની ભૂલથી આ ઝઘડા ? કોની ભૂલથી આ ગાડી ઊભી રહી છે? એનું શું કારણ?

પછી એના બાપને કહ્યું કે તને તારા પોતાના ઘરના કારખાનાનું તાળું ચાવીથી ઊઘાડતાં નથી આવડતું. એટલે પછી બાપે બહુ જોર કર્યું. આમ લાવી આપીશ, તેમ લાવી આપીશ. બહુ લાલચો આપીને ત્યારે એણે જે’ જે’ કર્યું, પણ આમ પાછળ હાથ રાખીને. જે’ જે’ કર્યું તોય સીધું ના કર્યું. આમ ઊંધા ફરીને કર્યું. એટલે હું સમજી ગયો કે ક્યાં ડીફેક્ટ (ખામી) છે. આ છોકરાને કેટલો અહંકાર હશે, તે સામું જોઈને જે’ જે’ પણ નથી કરી શકતો. ત્યારે એ પૂર્વનો કેટલો અહંકાર લઈને આવેલો છે !

એટલે પછી એના બાપે કહ્યું, ‘‘આમ ના થાય. સીધું જે’ જે’ કર.’’ ત્યારે એમ કંઈ થતું હશે ? સમજણ સીધી પાડો. ત્યારે કહે, ‘આ સમજણ પાડું છું પણ નથી માનતો !’ મેં કહ્યું, ‘શી રીતે માને ?’ બાપા થયા છો એટલે. બાપ ના થયા હોત ને ભાઈ થયા હોત તો માનત. પણ તમે તો બાપ થઈ બેઠા છો. પાછાં કહે, કર, કરે છે કે નહીં ? મને કહે છે, ‘આ નથી કરે એવો.’ ત્યારે મેં કહ્યું, ‘‘ઊભા રહો. બાબા, હું તને જે’ જે’ કરું તો ? તું અહીં આવ. જય સચ્ચિદાનંદ.’’ તો એણે તરત કર્યું. આમ હાથ સીધા જોડીને બોલ્યો, ‘જય 

(પા.૧૬)

સચ્ચિદાનંદ.’ મેં જે’ જે’ કર્યું ને ત્યારે તરત એણે કર્યું. એમની અટકણ આવી ! ત્યારે બાપો કહે છે, ‘તમે ખરું કર્યું.’ ત્યારે મેં કહ્યું, ‘આટલું શીખ.’ એમ ને એમ બાપ થઈ બેઠો છે, વગર કામનો ! આ તો આંખો કાઢીને બીવડાવે. બાપ ના થઈશ મૂઆ, છોકરું હઠે ચઢ્યું છે ! અને આ છોકરું એ છોકરું નથી, ગયે અવતારે ૮૦ વર્ષનો થઈને મરી ગયો ને એ ૮૩ વર્ષનો થયો છે અત્યારે.

એટલે ચાવીથી તાળું ઉઘાડતાં આવડવું જોઈએ. પથ્થર માર માર કરીએ તો તાળાં ઊઘડે ? તાળું ઉઘાડતાં ના આવડવું જોઈએ ?

પ્રશ્નકર્તા : આપ જે જે લેવલના માણસ હોય, તેની સાથે તે તે રીતની વાત કરો છો !

દાદાશ્રી : હા, પણ શું કરીએ ત્યારે !

છોકરાંને કહેવાના તારણ કાઢો

આ કાળમાં ઓછું બોલવું એના જેવું એકેય નથી. આ કાળમાં બોલ પથ્થર જેવા વાગે એવા નીકળે છે ! અને દરેકના એવા જ હોય. એટલે બોલવાનું ઓછું કરી નાખવું સારું. કોઇને કશું કહેવા જેવું નથી. કહેવાથી વધારે બગડે છે. એને કહીએ કે ‘ગાડીએ વહેલો જા.’ તો એ મોડો જાય અને કશું ના કહીએ તો ટાઇમે જાય. આપણે ના હોઇએ તો બધું ચાલે એવું છે. આ તો પોતાનો ખોટો અહંકાર છે ! જે દહાડાથી છોકરાં જોડે કચકચ કરવાનું તમે બંધ કરશો, તે દહાડાથી છોકરાં સુધરશે. તમારા બોલ સારા નીકળતા નથી, એનાથી સામો અકળાય છે. તમારો બોલ એ સંઘરતો નથી, ઊલટા એ બોલ પાછા આવે છે. આપણે તો છોકરાંને ખાવાનું-પીવાનું બનાવી આપીએ ને આપણી ફરજ બજાવીએ, બીજું કહેવા જેવું નથી. કહેવાથી ફાયદો નથી એવું તમને તારણ નીકળે છે ?

જુદું જોઈને પ્રતિક્રમણથી ધૂઓ

પ્રશ્નકર્તા : આખો દહાડો છોકરાં બહાર રખડે. ઘરનું કામ હોય, અગત્યનો ફેરો ખાવાનો હોય, એવું તો એણે કરવું જોઈએ ને ? વઢીએ તોય કશું કરે નહીં. પછી મૌન રહેવાય નહીં ને છોકરા પર હાથ ઉપડી જાય.

દાદાશ્રી : ના, એવું મૌન થઈ જવાય નહીં. તમારે શુદ્ધાત્માનું લક્ષ રહે છે કે નથી રહેતું ?

પ્રશ્નકર્તા : રહે ને !

દાદાશ્રી : પછી શો વાંધો છે ? એવું છે ને, ખરી રીતે તો આપણું સાયન્સ શું કહે છે કે મારતી વખતે તમે એને જોયા કરો. ‘ચંદુભાઈ’ છોકરાંને મારતાં હોય, તે ઘડીએ તમારે ‘ચંદુભાઈ’ને જોયા કરવું. ‘ચંદુભાઈ’ શું કરી રહ્યા છે, એટલું જ જોયા કરવાનું અને પછી ‘ચંદુભાઈ’ને કહેવાનું કે ‘આ તમે અતિક્રમણ કર્યું, શા માટે આ બિચારાને માર્યું ? તમારાથી આવું વઢાય ? તમે કેમ વઢ્યા ? માટે આ બધાનું પ્રતિક્રમણ કરો.’ એટલે ‘ચંદુભાઈ’ છોકરાંને મારે તે ઘડીએ તમારે જાણ્યા જ કરવું અને જોડે જોડે પ્રતિક્રમણ કરાય કરાય કરવું. આવું ફાવે ને ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

સાચી સમજણે આવે ઉકેલ

એક માણસ સંડાસના બારણાંને લાતો માર માર કરતો હતો. મેં કહ્યું કે ‘કેમ લાતો મારો છો ?’ ત્યારે કહે છે કે ‘બહુ સાફ કરું છું, તોય ગંધાય છે. ખૂબ સાફ કરું છું તોય ગંધાય છે.’ બોલો, હવે એ મૂર્ખાઈ કેટલી બધી કહેવાય ! સંડાસના બારણાને લાતો મારીને પોતાને ઉપાધિ થાય છે અને બારણાંય તૂટી જાય છે.

કેટલી બધી મુશ્કેલીઓ ! સંસાર બધો 

(પા.૧૭)

મુશ્કેલીમાં મૂકાયો છે, નહીં સમજણ પડવાથી મુશ્કેલીમાં મૂકાયો છે. આ મુશ્કેલી સોલ્વ (હલ) થઈ જાય કે કલ્યાણ થઈ ગયું.

મહીં સમભાવ રાખી બાળકના ભાવ ફેરવો

છોકરામાં ખરાબ ગુણો હોય તો મા-બાપ તેને ટૈડકાવે છે અને કહેતાં ફરે કે ‘મારો છોકરો તો આવો છે, નાલાયક છે, ચોર છે.’ અલ્યા, એ એવું કરે છે, તે કરેલાને મેલને પૂળો. પણ અત્યારે એના ભાવ ફેરવને! એના મહીંના અભિપ્રાય ફેરવને ! એના ભાવ કેમ ફેરવવા તે મા-બાપને આવડતું નથી. કારણ કે ‘સર્ટિફાઇડ’ મા-બાપ નથી. ‘સર્ટિફિકેટ’ નથી અને મા-બાપ થઇ ગયાં છે ! છોકરાને જો ચોરીની કુટેવ પડી ગઇ હોય તો મા-બાપ તેને ટૈડકાવ-ટૈડકાવ કરે, માર-માર કરે, કે ‘તને અક્કલ નથી, તું આમ કરે છે, તેમ કરે છે.’ એમ ઝૂડ ઝૂડ કરે. આમ, મા-બાપ ‘એક્સેસ’ (વધારે) બોલે ! હંમેશાય ‘એક્સેસ’ બોલેલું ‘હેલ્પ’ ના કરે. એટલે છોકરો શું કરે? મનમાં નક્કી કરે કે ‘છો ને એ બોલ્યા કરે, આપણે તો એવું કરવાના જ.’ તે આ છોકરાને મા-બાપ વધારે ચોર બનાવે છે. દ્વાપર, ત્રેતા ને સત્યુગમાં જે હથિયારો હતાં, તે આજે કળિયુગમાં લોકોએ વાપરવા માંડ્યાં. છોકરાને ફેરવવાની રીત જુદી છે. એના ભાવ ફેરવવાના. એના પર પ્રેમથી હાથ ફેરવીને કહેવું કે ‘આવ બેટા ! છો ને તારી બા બૂમાબૂમ કરતી. તે આવી રીતે કોઇની ચોરી કરી, એવું કોઇ તારા ગજવામાંથી ચોરી જાય તો તને સુખ લાગે ? તે વખતે તને મહીં કેવું દુઃખ થાય ? એમ સામાનેય દુઃખ ના થાય ?’ તેવી આખી ‘થીયરી’ (સૈદ્ધાંતિક વાત) છોકરાને સમજાવવી પડે.

આમ હાથ-બાથ ફેરવેને, એટલે એને બિચારાને સુખ લાગે. દિલ ઠરે એનું. પછી આપણે કહીએ કે ‘ભઈ, જુઓ આપણે કોણ ખાનદાન, એવું તેવું તે.’ એટલે ભાવ ફેરવે કે આ કરવા જેવી વસ્તુ જ ન્હોય. જેને ત્યાં ચોરી કરી તેનું પ્રતિક્રમણ આમ કરજે અને પ્રતિક્રમણ કેટલાં કર્યાં તે મને કહેજે. (આમ એને સમજાવીએ,) તો પછી પેલો રાગે પડી જાય.

દેખાવમાં વિરોધ, મહીં અંદર સમભાવ. એ ચોરી કરે તેની ઉપર આપણે નિર્દયતા સહેજ પણ ન થવી જોઈએ. જો અંદર સમભાવ તૂટી જશે તો નિર્દયતા થશે અને જગત આખું (આવા વખતે) નિર્દય થઈ જાય છે.

લાડ અને પ્રેમની ભેદરેખા

અમારે તો છોકરાઓ (જોડે) બહુ ફાવે. નાના છોકરાંઓ મારી જોડે ફ્રેન્ડશીપ (મિત્રતા) કરે. અહીં આગળ પેસતાં હતાં ને? ત્યારે પેલો આવડો બાબો હતો તે તેડવા આવ્યો, ‘હેંડો’ કહે છે. તમે તો લાડ લડાવ લડાવ કરો, અમે લાડ ના લડાવીએ, અમે તો પ્રેમ કરીએ.

પ્રશ્નકર્તા : દાદા, એ જરા સમજણ પાડો ને, લાડ લડાવવાનું અને પ્રેમ કરવાનું. જરા દાખલા આપીને સમજાવો.

દાદાશ્રી : અરે, એક માણસે તો એના બાબાને એવો દબાવ્યો, આમ છાતીએ. બે વર્ષથી ભેગો થયો ન્હોતો, એને ઊંચકીને આમ દબાવ્યો! તે પછી બાબો ખૂબ દબાઈ ગયો, એટલે એને પછી છૂટકો ના રહ્યો, એટલે બચકું ભરી લીધું. આ રીત છે તે ? આ લોકોને તો બાપા થતાંય નથી આવડતું !

પ્રશ્નકર્તા : અને ? જે પ્રેમવાળો હોય, એ શું કરે?

દાદાશ્રી : હા, તે હાથ ફેરવે આમતેમ. ગાલે 

(પા.૧૮)

ટપલી મારે, આમતેમ કરે અને એને આમ જરા ખભો ઠોકે, એમ ખુશ કરે.

અહંકાર નહીં, ત્યાં પ્રેમ

આ છોકરાને હું માર માર કરું છું ને, તોય ખુશ થાય છે અને તું માર જોઈએ ? કારણ કે તારામાં અહંકાર છે, એટલે એનો અહંકાર જાગૃત થાય. મારામાં પ્રેમ છે, એટલે એને પ્રેમ જાગૃત થાય. એ તો હું એને ગમે એટલું મારું તોય મને કશું ના હોય, તેથી મારી ઉપર ખુશ થઈ જાય. કારણ કે હું પ્રેમથી જોઉં છું અને તારામાં તો અહંકાર ભરેલો છે, એટલે પછી તે છોકરામાં અહંકાર જાગે. એટલે બેનો અહંકાર લડે પછી, ‘આવી જા’ કહેશે.

તમે એને એક ટપલી મારો તો એ રડવા માંડશે, એનું શું કારણ? એને વાગ્યું તેથી ? ના, એને વાગ્યાનું દુઃખ નથી, એનું અપમાન કર્યું તેનું દુઃખ છે. આ જગતે પ્રેમ શબ્દ જ જોયો નથી. કંઈક પ્રેમ જોયો હોય કો’ક જગ્યાએ, તો મધર(માતા)નો પ્રેમ હશે.

મધર’ના પ્રેમમાં પ્રેમ હોય છે, બીજી બધી આસક્તિઓ છે. જેની પાછળ મને કામ લાગશે, છોકરાં મોટાં થઈને ચાકરી કરશે, આમ કરશે, નામ રાખશે, એ બધી આસક્તિઓ. પિતાજીનો ઘાટવાળો પ્રેમ. (છોકરો) મારું નામ કાઢે એવો છે, કહેશે. એક માનો એકલો સહેજ પ્રેમ, તેય સહેજ જ પાછો. તેય મનમાં હોય કે મોટો થશે, તે મારી ચાકરી કરશે. કંઈ પણ એની પાછળ લાલચ છે ત્યાં પ્રેમ નથી. પ્રેમ એ વસ્તુ જ જુદી છે. અત્યારે તમે અમારો પ્રેમ જોઈ રહ્યા છો, પણ જો સમજણ પડે તો. આ દુનિયામાં કોઈ ચીજ મને ખપતી નથી. દોઢ વર્ષનો છોકરો કહેશે, ‘દાદા, મારે તમારી જોડે રમવા આવવું છે.’ ત્યારે હું કહું, ‘હા.’ શાથી દોઢ વર્ષના છોકરાને મારી જોડે બીક નહીં લાગતી હોય ?

પ્રશ્નકર્તા : તમને કશો અહંકાર ના મળે એટલે.

દાદાશ્રી : અહંકાર નહીં એટલે પ્રેમ લાગે !

મોહ અને પ્રેમની ભેદરેખા

પ્રશ્નકર્તા : મોહ અને પ્રેમ એ બન્નેની ભેદરેખા શું છે ?

દાદાશ્રી : આ ફૂદું છે ને ! ફૂદું દીવાની પાછળ પડી અને ‘યાહોમ’ થઈ જાય છે ને ! એ પોતાની જિંદગી ખલાસ કરી નાખે છે, એને મોહ કહેવાય. જ્યારે પ્રેમ એ ટકે, પ્રેમ ટકાઉ હોય. જો કે એમાંય થોડી આસક્તિના દર્દ હોય, પણ તોય ટકાઉ હોય. એ મોહ ના હોય.

મોહ એટલે ‘યુઝલેસ’ (નકામું) જીવન. એ તો આંધળા થવા બરાબર છે. આંધળો માણસ ફૂદાની પેઠે ફરે ને માર ખાય એના જેવું અને પ્રેમ તો ટકાઉ હોય, એમાં તો આખી જિંદગીનું સુખ જોઈતું હોય. એ તાત્કાલિક સુખ ખોળે એવું નહીં.

અમારા એક સગાવહાલા તો, છોકરાંની બહુ કાળજી રાખ રાખ કર્યા કરે, પોતે જરા ભીડ વેઠીને પણ. મેં કહ્યું, ‘તારા ફાધરનો ફોટો દેખાતો નથી.’ ત્યારે કહે, નહીં હોય તે દહાડે ખાસ ફોટો.’ મેં કહ્યું, ‘પૂજા શાની કરો છો ? ફાધરની પૂજા કરો છો ?’ ત્યારે કહે, ‘ના.’ પછી મેં કહ્યું, ‘પણ આ છોકરાં તમારી પૂજા કરશે જ ને? આટલી બધી છોકરાં પાછળ મહેનત કરો છો ?’ ત્યારે કહે, ‘ના, કોઈ ના કરે.’ ત્યારે મેં કહ્યું, ‘શું જોઈને આ પાછળ પડ્યા ?’ ગાયો-ભેંસોય છોડી દે, છ મહિનાનાં, બાર મહિનાનાં થાય એટલે છોકરાં છૂટાં. તું તારા રસ્તે ને હું મારા રસ્તે.

(પા.૧૯)

પ્રશ્નકર્તા : આ બાબતમાં એમ કહેવાય છે કે ‘ધેર ઇઝ નો લૉ ઇન ધ નેચર, કુદરતમાં કોઈ કાયદો નથી.’

દાદાશ્રી : જાનવરમાં તો ધાવવા ના આવ્યું હોય તો જોયા જ કરે એક બાજુ. પણ એ લિમિટ છ મહિનાની, આ ફોરેનર્સની લિમિટ અઢાર વર્ષની અને આપણી તો લિમિટ જ નહીં ને, સાત પેઢી થાય તોય! સાતમી પેઢીએ મારાં છોકરાની વહુ સોનાની ગોળીમાં છાશ વલોવે ને તે સાતમે માળે અને તે પાછો હું જોઉં આંખેથી, એવી આંધળો માંગણી કરે છે ! (સાત) માળ સુધી દેખાય મને. અને સાતમી પેઢીની છોકરાંની વહુ એટલે, એટલે કેટલાં વર્ષનો થાય પોતે ! કેવું માંગ્યું ? ભગવાન મૂંઝાયા કે આ દેશમાં ક્યાં આવ્યો હું!

મોહરૂપી પઝલના માર

નાનપણમાં મેં નજરોનજર જોયેલું. એક આંધળા ડોસા હતા. એ ખાતાં હોય ત્યારે છોકરાં એમની થાળીમાં કાંકરા નાખી આવે. પેલા કંટાળીને ચિઢાય ને બૂમો પાડે. એટલે આ છોકરાં ખુશ થઈ જાય ને વધારે કાંકરા નાખે! એવું આ સ્વાર્થનું જગત છે !

કેડમાં ઘાલેલું છોકરું હોય ને, દરિયામાં જઇએ ને, તે પગ નીચે લંબાવી જુએ. જો ભોંયે અડે નહીં ને, ત્યાં સુધી આપણને છોડે નહીં અને ભોંયે અડ્યું તો છોડી દે આપણને. એટલે આ પઝલ છે બધું.

મોટી ઉંમરનો થાય અને અહંકાર થાય, ત્યાર પછી એનો પગ પહોંચે, પછી રોફ મારે ને ! પગ ના પહોંચે ત્યાં સુધી તો મૂઓ ટાઢો ટપ રહે. પણ પહોંચ્યા એટલે આપણા પર રોફ મારવાની તૈયારી થાય! એ એના ઘાટમાં જ હોય.

છોકરો ‘પપ્પાજી, પપ્પાજી’ કરે તો તે કડવું લાગવું જોઈએ. જો મીઠું લાગ્યું તો એને ઉછીનું સુખ લીધું કહેવાય. અમે તો ઉછીનું સુખ લેવાનો વ્યવહાર જ મૂકી દીધેલો. અહો ! પોતાના આત્મામાં અનંત સુખ છે ! એ મૂકીને આ ભયંકર ગંદવાડામાં પડવાનું ?

માટે આપણા માંહ્યલા ભગવાન સાચા, ને મોક્ષે ગયા તો કામ થયું ! પાછાં આવાં કેટલાં અવતાર થવાના છે એનું ઠેકાણું નથી ! મોક્ષનો સિક્કો વાગ્યો હોય તો બે-ત્રણ અવતારમાંય ઠેકાણું પડે. પણ એવો સિક્કો વાગ્યો નથી છતાંય આ જગત પર લોકોને કેટલો મોહ છે !

નર્યો માર ખા ખા કર્યો, અનંત અવતાર મોહનો માર ખા ખા કર્યો છે ! હવે હિન્દુસ્તાનમાં આવ્યા પછી આપણે મોહનો માર ખાઈએ તો એ આપણને શોભે નહીં.

સ્થૂળથી સૂક્ષ્મતમ સુધીના મોહની સમજ

પ્રશ્નકર્તા : સ્થૂળ મોહ, સૂક્ષ્મ મોહ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ મોહ એ શું છે, દાખલા સહિત સમજાવો.

દાદાશ્રી : એ શેના જેવું છે ? આપણે દૂધ કાઢી લઈએ, દૂધ કાઢ્યું એ સ્થૂળ કહેવાય. એમાં થોડુંક પાણી રેડતાં ગયાં, એ સૂક્ષ્મ કહેવાય. પછી એનાથી વધારે પાણી, ખૂબ પાણી રેડીને પછી ચા બનાવી એ પણ દૂધ કહેવાય ને, પાણી રેડ્યું તોય, તે સૂક્ષ્મતર કહેવાય અને સૂક્ષ્મતમ એટલે સેપરેટ (માખણ કાઢેલ છાશ). એવી રીતે છે એ.

સ્થૂળ મોહ એટલે શું ? બાપ અમેરિકા હતો અને છોકરો અહીં મોટો થયો હતો. એ અગિયાર વર્ષનો થયો. બાપ અમેરિકાથી આવ્યો ને એટલે છોકરો આવીને પપ્પાજી કરીને જે’ જે’ કરવા લાગ્યો. બાપે એને ઊંચકીને એવો દબાવ્યો, પ્રેમના 

(પા.૨૦)

માર્યા કે છોકરાએ બચકું ભરી લીધું. ત્યારે કહે, આ કયા પ્રકારનો મોહ? ત્યારે કહે, સ્થૂળ મોહ. બાબાની જોડે છેટે રહીને જે’ જે’ કરીએ અને માથે હાથ મૂકીએ એ સૂક્ષ્મ મોહ. બાબો ઊંધો ચાલે અને એને ટૈડકાવીએ એ સૂક્ષ્મતર મોહ. એ પણ એક પ્રકારનો મોહ. અને સૂક્ષ્મતમ મોહ કયો? તે ગાળો ભાંડે, ઘરમાં પેસવા ના દે, તોય છેવટે ઘર-મિલકત એને જ આપી દે. એટલે આવા બધાં મોહના પ્રકાર ! સમજાયું ને ?

જો જો, મોહ ના બને કલ્યાણને બાધક

આ બધે જ્યાં જુઓ ત્યાં આની આ જ ભૂલો. લોકો મોહમાં (કહેશે,) મારું લડકું (મેરા લડકા). મૂઆ, ન્હોય (તારું) લડકું. જરા અથડાવી જોજો, એની સામો થા જોઈએ એક કલાક! એ તારું લડકું છે કે નહીં, ખબર પડશે! એ તો બધું રીતસર સારું. છૂપો પ્રેમ રાખવાનો. ઉપરથી પ્રેમ ઓપન (ખુલ્લો) ના કરાય છોકરાઓને. એ તો આસક્તિ કહેવાય. એટલે જરા રીતસરનું કરવું બધું આપણે. આપણું કંઈ કલ્યાણ તો કરવું જોઈએ ને ? તો હજુ શેના હારુ આટલો બધો મોહ? તેમ છતાં છોકરાંને છંછેડવાના નહીં. એમને જરૂર હોય, જે જોઈએ એ બધુંય આપીએ-કરીએ!

આ તો બધી પરભારી પીડા છે. છોકરો એમ નથી કહેતો કે મારા પર પડતું નાખો, પણ આ તો બાપ જ છોકરા પર પડતું નાખે છે. આ આપણી જ ભૂલ છે. આ કળિયુગમાં તો માંગતા લેણાવાળાં છોકરાં થઈને આવ્યા હોય છે ! આપણે ઘરાકને કહીએ કે ‘મને તારા વગર ગમતું નથી, તારા વગર ગમતું નથી.’ તો ઘરાક શું કરે ? મારે. આ તો ‘રિલેટિવ’ સગાઈઓ છે. આમાંથી કષાયો ઊભા થાય. આ રાગ કષાયમાંથી દ્વેષ કષાય ઊભો થાય. ઉછાળે ચઢાવાનું જ નહીં. આ દૂધપાક ઊભરાય ત્યારે લાકડું કાઢી લેવું પડે, એના જેવું છે.

આ મોહ કોની ઉપર ? જૂઠા સોના ઉપર ? સાચું હોય તો મોહ રખાય. આ તો ઘરાક-વેપારી જેવો સંબંધ. માલ સારો મળે તો ઘરાક પૈસા આપે, એવો આ સંબંધ છે. જો એક જ કલાક છોકરા જોડે ભાંજગડ કરે તો સંબંધ તૂટી જાય, એવા સંબંધમાં મોહ શો રાખવો?

મનુષ્યોનો સંસાર તો જંજાળ

આ તો સંસાર છે એને જંજાળ કહી. જંજાળ જો ના કહી હોત તો પાછો ફરવાનો પ્રયત્ન જ કરે નહીં ને !

આ જાળો જ છે, નહીં ? માછલાંની જાળ તો સારી. એને કોઈક જગ્યાએ દાંત મૂકે ને, તો કાપી નાખે. જ્યારે આ જાળ તો કપાય નહીં, આ તો જંજાળ કહેવાય. આ જાળ નહીં, જંજાળ ! પાછી કપાય નહીં, ભોગવ્યે જ છૂટકો ! ભોગવે ત્યારે જાળ છૂટે ! હિસાબ બધો ચૂકવીએ ત્યારે જાળ છૂટે પાછી ! પણ પાછી નવી જાળ તો તૈયાર કરી હોય આપણે, આવતા ભવની જાળ પાછી ઊભી કરી જ હોય !

કોઈ કોઈનો છોકરો-બાપ હોતો હશે ? આ તો એકદમ આ ચકલાં આમથી ઊડીને આવ્યાં, આમથી ઊડીને આવ્યાં અને પછી ત્યાં આગળ રાતના બેઠાં. પછી સવાર થઈ તે બધા ઊડી ઊડીને હેંડવા માંડ્યાં. એવી રીતે છે આ. એ જોડે બેઠું હોય, તે બાર કલાક માટે પૈણે પાછાં ! સવારમાં ઊઠીને જવાનું છે ને !

નિશ્ચય-વ્યવહારના પાયે આદર્શ વ્યવહાર

આ કંઈ ખરેખર બાપ-બેટા નથી. આ રીયલી સ્પીકિંગ (હકીકતમાં) આખી દુનિયામાં કોઈ બાપ હોય જ નહીં. અને રીયલી સ્પીકિંગ જો બાપ હોય તો, બાપ મરી જાય એટલે છોકરાં એની જોડે જ 

(પા.૨૧)

જાય કે બાપા, મારાથી નહીં જીવાય. મારા ફાધર ને હું એક જ ? પણ એ મરે નહીં પછી, નહીં? કોઈ મરે નહીં ને ? બધા ડાહ્યા છે ને ? પછી બ્રેડ-બિસ્કીટ, પાઉં-બાઉં બધું ખાઈ લે!

વ્યવહાર ધર્મમાં તો તમે કોઈ દહાડો રહ્યા જ નથી. તમે તો વ્યવહારેય બગાડ્યો અને આ નિશ્ચય પણ બગાડ્યો. વ્યવહાર એટલો જ કરવાનો છે કે બાપ થયો, માટે છોકરાનાં ધક્કા તું ના ખાઈશ, નહીં તો છોકરાને ખરાબ લાગશે. અને જે છોકરો થયો છે એના માટે વ્યવહાર એટલો કરવાનો છે કે બાપના ધક્કા તું ખાજે, નહીં તો ખોટું દેખાશે. એવો વ્યવહાર-વિવેક ચૂકવાનો નથી.

વ્યવહાર હંમેશા આદર્શ હોય. જે માણસ નિશ્ચય ચૂક્યો ને, એનું નામ વ્યવહાર ના કહેવાય. નિશ્ચયને નિશ્ચયમાં રાખવાનો અને વ્યવહારને વ્યવહારમાં રાખવાનો, એનું નામ આદર્શ વ્યવહાર. હું આખો દહાડો આદર્શ વ્યવહારમાં જ રહું છું. મારે ઘેર આજુબાજુ પૂછવા જાવ ને તો બધાય કહેશે, કોઈ દહાડો એ લઢ્યા જ નથી. કોઈ દહાડો બૂમ પાડી જ નથી. કોઈ દહાડો કોઈની જોડે ગુસ્સે થયા નથી.

શીલના પ્રભાવે કેળવાય બાળકો

એવું છે કે કોઈ સંજોગોમાં છોકરો સામો થાય, કોઈ સંજોગોમાં વાઈફ સામી થાય, તે ઘડીએ તમે લપકા કરો તો તમારું શીલ ખલાસ થઈ જાય. એનાં કરતાં આપણે જોયા કરવાનું કે આ મશીન કંઈ બગડેલું લાગે છે ! તે કઈ બાજુથી મશીન બગડ્યું છે, તે જોયા કરવું. નહીં તો આ લોક તો શું કરે કે ‘તું આવી છું, તું તેવી છું’ કહે એટલે થઈ રહ્યું, શીલ એનું ખલાસ થઈ ગયું. અમને તો કોઈ લાખ ગાળો ભાંડે તોય અમે કહીએ કે આવ બા. ત્યારે કોઈ કહેશે કે છોકરો સામો થાય છે તો જો અત્યારથી ડરાવીએ નહીં, તો તો પછી એ વધારે સામો થશે. ના, એ ડરાવવાથી તો તમારું શીલવાનપણું તૂટતું જશે ને તમારે નિર્બળતાઓ વધતી જશે અને છોકરો ચઢી બેસશે ! એટલે તમે જો એને ડરાવશો નહીં અને તમે એ સહન કરીને સાંભળી લેશો તો ધીમે ધીમે એ ‘ટર્ન આઉટ’ (વળી) થઈ જશે. એ આ શીલના પ્રભાવને લીધે ! બાકી આ નહીં જાણવાથી તો લોકો બિચારાં માર ખાય છે!

એવું શીલ હો અમોને

પ્રશ્નકર્તા : શીલ કોને કહેવું, જરા વિસ્તારથી કહો ને, બધાને સમજાય એવું !

દાદાશ્રી : કિંચિત્માત્ર દુઃખ દેવાના ભાવ ના હોય. પોતાના દુશ્મનને પણ કિંચિત્ દુઃખ દેવાના ભાવ ન હોય. એની મહીં છે તે સિન્સિયારિટી હોય, મોરાલિટી હોય. બધા જ ગુણો ભેગા થાય. કિંચિત્માત્ર હિંસક ભાવ ના હોય, ત્યારે ‘શીલ’ કહેવાય. ત્યાં વાઘ પણ ઠંડો થઈ જાય.

પ્રશ્નકર્તા : એવું તો ક્યાંથી લાવે આજકાલના મા-બાપ ?

દાદાશ્રી : તો પણ થોડા-ઘણાં, એમાંથી આપણે પચ્ચીસ ટકાય જોઈએ કે ના જોઈએ ? પણ આપણે આ કાળને લઈને સાવ આઈસ્ક્રીમની ડીશો ખાધા કરે એવા થઈ ગયા છે.

શીલવાન એટલે શું ? કે એ ગાળો દેવા આવ્યો હોય ને તે અહીં આવે ને બેસી રહે. આપણે કહીએ કે કંઈક બોલો ને, પણ એનાથી અક્ષરેય બોલાય નહીં. એ શીલનો પ્રભાવ ! એટલે આપણે (સામે પ્રતિક્રિયાની) તૈયારી કરીએ ને, તો શીલ તૂટી જાય. એટલે તૈયારી નહીં કરવાની.

(પા.૨૨)

મૌન ઉપજાવે ચારિત્રબળ

તું મૌન પકડું અને શાંત ભાવે જોયા કરું, તો તારામાં ચારિત્રબળ ઉત્પન્ન થશે અને એનો પ્રભાવ પડશે એના ઉપર, લૉયર (વકીલ) હોય તોય. એ ગમે તેવું વઢે, તો તું દાદાનું નામ લેજે અને સ્થિર રહેજે ! મનમાં એમ થશે કે આ કેવી! આ તો હારતી જ નથી! પછી એ હારે. એણે કર્યું પણ એવું, છોકરી એવી હતી. દાદા જેવા શીખવાડનાર મળે તો પછી શું રહ્યું હવે ? નહીં તો એડજસ્ટમેન્ટ આવું હતું પહેલા, રશિયા ને અમેરિકા જેવું. ત્યાં બટન દાબતાંની સાથે તરત સળગે બધું, હડહડાટ. આ તો કંઈ માણસાઈ છે ? શેને માટે ડરો છો? શેને માટે જીવન હોય? સંજોગો જ એવા છે તે, હવે આ શું કરે તે ? સંજોગો એવા છે પાછાં ! એને આ જીતવાની તૈયારી કરે છે ને, તે ચારિત્રબળ ‘લૂઝ’ (નબળું) થઈ જાય.

‘મરીને જીવો’ એ સૂત્ર હૃદયે ધરો

પ્રશ્નકર્તા : દીકરો ભૂલ કરતો હોય વ્યવહારમાં, આપણે એને ન કહીએ, ત્યારે સંસારમાં લોકો કહે કે આપણે એને સમજાવવો જોઈએ. પણ આપણે કંઈ બોલીએ જ નહીં. કારણ કે આ જ્ઞાન લીધા પછી એમ સમજાતું હોય કે આ જે ચાલી રહ્યું છે એ સામેના, એકબીજાના કર્મના ઉદયને લઈને ચાલી રહ્યું છે. એમાં આપણે કશું ફેરવી શકવાના નથી, તો પછી શું કામ બોલવું જોઈએ કંઈ પણ ?

દાદાશ્રી : બરાબર છે, હંડ્રેડ પરસેન્ટ (સો ટકા). અને બોલ્યા હોય તો પસ્તાવો કરો. ખોટું છે માટે પસ્તાવો કરો. બાકી આપણે ના હોય ત્યારે શું કરે ? એ ઉદય પ્રમાણે વર્તે છે. એનો ઉદય છે એટલે વર્તે છે.

જગતના લોકો તો ન બોલે તોય ખોટું. કારણ કે નહીં તો એને ખબર ના પડે કે ભૂલ છે. એ બોલેલું કંઈ ફળતું નથી, પણ લોકો એને ઉપદેશ માને.

પ્રશ્નકર્તા : હા, પણ એમાં જ ગરબડ થાય છે. કંઈ પણ થાય તો એમ કહે કે તમારે કંઈક કહેવું જોઈએ ને ! વ્યવહાર ખાતર તો કહેવું જોઈએ.

દાદાશ્રી : એ તો એ બોલે ને આપણેય કહેવું કે હા, એ બરાબર છે, વાત સાચી છે. એ કહેવું કે ના કહેવું એ આપણા હાથની વાત છે? ના કહેવાય એ ઉત્તમ.

એટલે શ્રીમદ્ રાજચંદ્ર કહે છે, ‘મરીને પછી જીવો.’

પ્રશ્નકર્તા : હા, બરાબર છે. મેં તો બધાને કીધું છે કે ‘હું નથી’ એમ જ સમજવું તમારે.

દાદાશ્રી : હા, એ તો એક વાર મરે તેને ફરી મરવું ના પડે. પણ એ થવું જોઈએ ને, જીવતા મરેલાં! છોકરો છે તે પૈસા ઉડાડતો હોય, તોય પણ મરેલો માણસ શું કરે ? જોયા કરે. એવું આય છે, એવું જીવન હોવું જોઈએ.

પોતાનું કલ્યાણ એ જ મુખ્ય ધર્મ

છોકરાં તો સચવાઈ રહ્યા છે, છોકરાંને તમે શું સાચવવાના? તમારું કલ્યાણ કરવું એ જ મુખ્ય ધર્મ. બાકી આ છોકરાં તો સચવાઈ રહેલાં છે ને ! છોકરાંને કંઈ મોટા તમે કરો છો ? બગીચામાં ગુલાબના છોડ બધા રોપ્યા હોય, તે રાતે ઊંચા થાય કે ના થાય? એ તો આપણે સમજીએ કે ગુલાબ મારું, પણ ગુલાબ તો એમ જ સમજે ને કે ‘હું પોતે જ છું, કોઈનુંય નથી.’ બધા પોતે પોતાના સ્વાર્થથી આગળ છે. અત્યારે તો આપણે ગાંડો અહંકાર કરીએ, ગાંડપણ કરીએ.

(પા.૨૩)

આપણે એમ નથી કહેતા કે બાવા થઈ જાવ. છોકરાંને મોટાં કરો, છોકરાંને સંસ્કાર આપો, ભણાવો-ગણાવો, બધું કરો. પણ એના વગર ગમે નહીં, એવું કરી નાખો છો ! છોકરાં વગર મને ગમતું નથી. એવો કેવો માણસ છે ? મારે ત્યાં છે તે જાંબુડાનું ઝાડ છે. એટલે જાંબુડા વગર મને ગમતું નથી, એના જેવી વાત કરું છું. આ તો બધા કેટલાય ઝાડ હોય નર્યા અને આ છોકરાં, એ તો મનુષ્યના અવતાર છે. જો મનુષ્યમાં આવી મનુષ્યપણાનું સાર્થક ના કરી ગયો, કામ ના કાઢી ગયો, તો દૂધીમાં જ ગયો ને બિચારો !

ખરે ટાણે કોઈ નહીં ‘દાદા’ વગર

એ તો ‘ભાભો ભારમાં તો વહુ લાજમાં’ એવું છે. કોઈ આપણું થાય નહીં, આ દાદા એકલા તમારાં થશે. જ્યારે જોશો ત્યારે, સુખમાં-દુઃખમાં એકલા દાદા તમારા થશે, બાકી કોઈ તમારું થાય નહીં એની ગેરેન્ટી આપું છું. એ ખરે ટાઈમે કોઈ હાજર નહીં થાય. પેલા સાહેબ કહેતા હતા કે બહુ જગ્યાએ ફર્યો. વીસ-પચ્ચીસ વર્ષ તો એક સંત જોડે રહ્યો પણ મારો ખરો ટાઈમ આવ્યો તે ઘડીએ બીજું કોઈ હાજર ના થયું, દાદા હાજર થઈ ગયા. ગમે તે દુઃખે-સુખે પ્રસંગમાં દાદા તરત હાજર થઈ જાય અને હું કહુંય ખરો, ‘ગભરાશો નહીં.’ બીજું કોઈ હાજર નહીં થાય, આ છોકરાં-બોકરાં કોઈ હાજર નહીં થાય.

જ્ઞાની પાસે મળે ગૂંચવાડાના ખુલાસા

પ્રશ્નકર્તા : દાદા, જ્યારથી આપની પાસે આવ્યો છું ત્યારથી આપ એક શબ્દકોષ જેવા જ મને દેખાવ છો, ડિક્ષનરી જેવા જ હો. જ્યારે કંઈક અમે ગૂંચવાઈએ ત્યારે આપની પાસે પૂછવા આવીએ એટલે તરત જ એનો ખુલાસો આપો છો !

દાદાશ્રી : હા, બધા ખુલાસા થાય. ચોવીસ તીર્થંકરોનું ભેગું દર્શન પ્રાપ્ત કરેલું છે. જેનો જે ગૂંચવાડો હોય તેનો ખુલાસો તરત મળશે. તેનું જ્ઞાન પૂર્ણતાએ થયું નથી પણ દર્શન તો છે જ, સમજમાં આવી ગયું છે. કેવળજ્ઞાન સમજમાં આવી ગયેલું છે. અનુભવમાં નથી આવ્યું ત્યાં સુધી હુંય ‘દાદા ભગવાન, દાદા ભગવાન’ કર્યા કરું. આ ઊંચામાં ઊંચી આટલી જો આવડત આવે જગતમાં, આટલું ડહાપણ ફરી વળે ને, તો કામ કાઢી નાખે જગતના લોકોનું. પોતાની માન્યતાઓ સામા પર ઠોકી ના બેસાડાય.

પ્રશ્નકર્તા : દાદા, અહીંયા ગૂંચાયેલો વ્યવહાર ઉકલે છે, હળવું લાગે છે અને બધાના મોઢા ઉપર નિશ્ચિંત હાસ્ય હોય છે.

દાદાશ્રી : અહીં દિલ છે ને ! તે બહાર છે તે આખું દિલ મુરઝાઈ ગયું છે. સાચો ધર્મ ના હોવાથી આ બધું થયું છે. ધર્મથી જ સંસાર સરસ ચાલે. છોકરાંઓ કેમ કેળવવા, તે ધર્મથી સૂઝ પડે.

આપણા જેવા ગુણ હોય ને, તેવા છોકરા શીખે. એટલે આપણે જ ધર્મિષ્ઠ થઈ જવાનું. (પછી એ) શીખે આપણું જોઈ જોઈને.

કુટુંબ આખાને સુધારે દાદાની ખટપટ

આજના છોકરાંઓને બહાર જવાનું ગમે નહીં એવું કરી નાખો, કે ઘરમાં આપણો પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ દેખે. પછી આપણા સંસ્કાર ચાલે.

આપણે સુધારવું હોય તો શાક સુધારવું, પણ છોકરાઓને ના સુધારવા! એ લોકોને શાક સુધારતાં આવડે. શાક સુધારતાં ના આવડે?

પ્રશ્નકર્તા : આવડે.

દાદાશ્રી : હે... શાકનાં આવડા આવડા ટુકડા કરીને બનાવે હડહડાટ.

(પા.૨૪)

બાબો ચોખ્ખો છે, હજુ ચોખ્ખો છે તે એને પુષ્ટિ અહીંથી આપો. એને આનંદ-બાનંદ બધું અહીં જ થાય. મિત્રાચારી તમારી જ હોય, બહાર મિત્ર ખોળે નહીં. એટલે આપણે મિત્ર જેવા જ થઈ જવું જોઈએ એની સાથે. હું તો હાથ ફેરવું, રમાડું, બધુંય કરું. એટલે એને કોલેજમાંથી છૂટીને ઘેર આવે તો, આવવાનું મન થઈ જાય. અને અહીં ઘેર પ્રેમ ના દેખે એટલે બહાર પ્રેમ ખોળે. નાના બાળકો પ્રેમ ખોળે, પૈસા ખોળતા નથી, એટલું ધ્યાન રાખજો.

આ છોકરાને ઠેઠ સુધી સાચવ સાચવ કરો, એકનો એક જ છે. સરસ થઈ ગયું હવે એને. હવે તો (કહે છે,) આ દાદાને માટે જ બધું જીવન. એને કહ્યું કે ભઈ, આ કરોડોની મિલકત બધી તને સોંપવાની છે. (ત્યારે કહે,)ના, હું મારું કરી લઈશ. તમે આ કરોડો દાદાને આપી દેજો. મેં કહ્યું, ના ભઈ, મારે જોઈતા નથી. મેં ના પાડી દીધી. એટલે બાબાને સાચવજો. બાબો બહુ સારો છે. આ ભાઈને એ જ કહેલું ને કે તમારા છોકરાઓ લઈને અમારી પાસે ને પાસે આવજો, ભલે ભાડું-બાડું થાય તોય. છોકરાઓ સુધરી ગયા એટલે થઈ ગયું, લાખો રૂપિયા સુધરી ગયા.

પ્રશ્નકર્તા : તમે કહો છો કે ‘છોકરાઓને અહીં લઈ આવો.’ પણ છોકરાઓ ના આવે તો ?

દાદાશ્રી : એ તો મને પધરામણી કરાવે એટલે હું બીજે દહાડે, જરા (પીન) મારી આપું. ઘેર પધરામણી કરાવડાવો ને, એટલે એને પકડી લાવો. ઈન્ડિયામાં બધાં ઘણાં રિપેર કરી આપ્યા છે. મા-બાપ ખુશ થઈ ગયા છે. તે વહુનેય રિપેર કરી આપીએ. વહુના ધણી રિપેર કરી આપ્યા, મા-બાપ રિપેર કરી આપ્યા, નહીં તો શી રીતે મોક્ષે જાય ? જ્ઞાન તો આપ્યું પણ મોક્ષે શી રીતે જાય ?

અહો ! દાદાની કેવી કરુણા !

પ્રશ્નકર્તા : બ્રહ્મસ્વરૂપ થઈ ગયેલા દાદા, આ કઈ કરુણા છે કે આવી વાતોમાં પણ સમય આપે છે?

દાદાશ્રી : હા, સમય આપે ને પણ ! આપવો જ જોઈએ. નહીં તો લોકો આ મૂંઝામણમાંથી કેમ નીકળે તે ? કેટલી મૂંઝામણ હશે ? એટલે આખો દા’ડો આ જ કારુણ્યતા વપરાય છે ને અને ત્યારે પેલો ગૂંચામણમાંથી નીકળે તો આ જ્ઞાનને પામે ને તો જ રસ્તે ચઢે, નહીં તો ચઢે શી રીતે તે?

કંઈક આમાં મૂંઝામણ નીકળશે ને, મારી જોડે બેસશો તો ? તમને ખાતરી થઈ ગઈ ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : પછી નીકળે મૂંઝામણ. કારણ કે અમારું વચનબળ હોય. શબ્દ હાજર થાય તે ઘડીએ. માટે છોકરો ગાંડાઘેલો હોય કે એવું તેવું હોય તો કંટાળ્યે ના ફાવે. એ તો આપણે લમણે લખેલો છે.

આ કાળમાં આવું ‘અન્સર્ટિફાઈડ ફાધર્સ ને અન્સર્ટિફાઈડ મધર્સ’ શા હારુ લખાઈ ગયું હશે ? હુંય વિચાર કરતો હતો કે આવાં કંઈ શબ્દ બોલાતા હશે? એક-બે જણે મને કહ્યુંય હતું કે ‘આવું આવું લખ્યું ?’ મેં કહ્યું, ‘હા, લખ્યું.’ એવા ફાધર છો તે ખબર પડી જશે.

આત્મા જોડે સાચો સંબંધ, બાકી ઘાટવાળા

પરિણામ સમજવું જોઈએ. છતાં છોકરાં છે, છોકરા પર પ્રેમ રાખવાનો. છોકરો એટલે શું સંબંધ છે એ સમજી લેવું. કારણ કે આ દરેક જોડે શું સંબંધ છે, એ ના સમજી લઈએ આપણે? એ તો જ્યારે દાઢ દુઃખે ત્યારે ખબર પડે ! કાન દુઃખે, પેટ દુઃખે ને ત્યારે ખબર પડે. માટે અતિશય માયા 

(પા.૨૫)

કરશો નહીં. આ ફસામણ છે. સમજીને કરજો આ બધું. હું તમને માયા છોડવાનું નથી કહેતો. છોડ્યું છૂટાય એવું નથી. પણ આ બહુ માયા ના કરશો, હાયવોય ના કરશો. મારી વાત વ્યાજબી લાગે છે ને ?

સાચો સંબંધ કોને કહેવાય કે જે કોઈ દહાડોય ના બગડે. આત્મા જોડે જ સાચો સંબંધ છે. બાકી બધા ઘાટવાળા સંબંધ છે. ઘાટવાળા એટલે પોતાને કામ લાગે ત્યાં સુધી સંબંધી ! ઘાટમાં લે ને ! તમને કોઈ ઘાટમાં લેતું નથી ? આ સંસાર ઘાટવાળો જ છે. જ્યાં કોઈપણ પ્રકારનો ઘાટ નથી હોતો, ત્યાં પરમાત્મા અવશ્ય હોય જ. ઘાટથી ભગવાન વેગળા. જ્યાં સુધી સાંસારિક કોઈ પણ ઘાટ છે, સાંસારિક ઇચ્છાઓ છે, ત્યાં સુધી સાચી વાત કોઈથી ના નીકળે, એક શબ્દેય સાચો નીકળે નહીં.

સબ સબકી સંભાલો

સબ સબકી સંભાલો. પોત પોતાના આત્માને શાંતિ રહે. તે મરતી વખતે કંઈક આત્માની પરિણતિ સારી થાય. મરતી વખતે હિસાબ આવવાનો, સરવૈયું આવવાનું. આખી જિંદગી તમે જે કર્યું તેનું સરવૈયું મરતી વખતે આવે. જેમ આજ વેપાર કરીએ છીએ તે દિવાળીને દહાડે સરવૈયું કાઢીએ છીએ કે ડિસેમ્બરમાં આખરે કાઢીએ છીએ કે માર્ચ આખરે. પણ તે મહીં જે હશે, નફો-ખોટ હશે, તેનું સરવૈયું નીકળશે ને ?

પેલું આખી જિંદગીનું સરવૈયું આવે, તે શાનું? ચાર પગવાળો થશે કે છ પગવાળો થશે તે મહીં ખબર પડે કે બે પગવાળોય થાય. માણસેય થાય કે દેવેય થાય, કહેવાય નહીં. પણ જેવું કર્યું હશે, તેવો બદલો મળશે. માટે આપણી પોતાની સંભાળ પહેલી.

બધા હિસાબ ચૂકવવા માટેનું જ જગત છે. ‘જગત જીવ હૈ કર્માધીન, કુછ ના કિસસે લેના-દેના.’ પોતપોતાના સ્વભાવમાં રહો. આ તો બધું પોતપોતાના કર્મના આધીન જ ભમ્યા કરે છે. કોઈ કોઈને કશું આપી શકે નહીં. ભગવાન પણ કશું આપી શકે નહીં, તો બાપ શું આપવાનો હતો તે? જેને સંડાસ જવાની શક્તિ નથી એ ! વસ્તુ પદ્ધતિસર હોવી જોઈએ કે જેનો છેડો આવે. વાતનો છેડો આવવો જોઈએ ને ?

આત્મકલ્યાણ થાય એવું કરો

પ્રશ્નકર્તા : આપણે જો આત્મજ્ઞાન તરફ વળીએ, આત્મદર્શન કરીએ તો પછી સામે છોકરાઓનાં મન ફરે નહીં ?

દાદાશ્રી : કશું ફરે નહીં. ફરવાનું હોય તો ફરે, નહીં તો રામ તારી માયા. કોઈ ફરે-બરે નહીં. આપણે ફરવાની જરૂર છે, બીજો કોઈ ફરે નહીં. જમાનો બહુ વિચિત્ર છે. એટલે આપણે છોકરા, વહુ, બધાનું કલ્યાણ થાય એવી ભાવના રાખવી. પણ બહુ એટલી બધી પકડ ના કરવી કે આપણું બગડે પાછું. છેટા રહીને કામ લેવું. કોઈ પોતાના થાય નહીં આ બધા. એ તો સત્યુગના માણસ જુદા હતા. આ માણસ, આ ઋણાનુબંધ જુદી જાતના, પેલા ઋણાનુબંધ જુદી જાતના હતા. એટલે એવી આશા રાખીને શું કામ ? આપણે આત્માનું કલ્યાણ કરો ને કંઈક ! આમાં શું સ્વાદ કાઢવાના છે?

કળિયુગમાં (એવી સાંસારિક) આશા ના રાખશો. કળિયુગમાં આત્માનું કલ્યાણ થાય એવું કરો. નહીં તો આ વખત બહુ વિચિત્ર આવી રહ્યો છે, આગળ ઉપર ભયંકર વિચિત્ર આવી રહ્યો છે. હજુ હજારેક વર્ષ સારાં છે, પણ પછી આગળ બહુ ભયંકર આવવાના છે. પછી ક્યારે ઘાટમાં આવશે ? એટલે આપણે કંઈક આત્માનું કરી લો.

જય સચ્ચિદાનંદ