કર્તાપણાની છાયામાં ઉછરતો મીઠો રસ ‘ગર્વરસ’

સંપાદકીય

અધ્યાત્મ માર્ગે વળેલા જીવ જ્યારે એમના ધ્યેયની પ્રાપ્તિ માટે મોક્ષમાર્ગની સાંકડી કેડીઓમાંથી પસાર થાય છે, ત્યારે કેટલીય વાર ચઢે છે ને કેટલીય વાર પડે છે. આ માર્ગે સ્થૂળરૂપે તો પોતાનું સર્વસ્વ જીવન હોમાવે છે છતાં ધાર્યુýં પરિણામ મેળવવામાં શું બાધક છે ? મોક્ષમાર્ગના બાધક કારણોમાંનું એક કારણ છે ‘ગર્વરસ.’ ગર્વ એટલે ‘જ્યાં પોતે નથી કરતો’ ત્યાં આગળ ‘હું કરું છું’ એવું માનવું. તે વખતે જે રસ ઉત્પન્ન થાય છે મહીં, તે રસ છે ગર્વરસ.

આખી દુનિયાનો મીઠામાં મીઠો રસ કે જેની મીઠાશની કોઈ જોડે સરખામણી જ ના થાય. કયો રસ છે એ ? દાદાશ્રી કહે છે, એ મીઠો રસ છે ‘ગર્વરસ.’ બીજી બધી મીઠાશ ગર્વરસ સામે ફીકી લાગે છે. ‘કોઈકે બસ આટલું જ કહેવું જોઈએ કે તમે બહુ સરસ સમજાવો છો, તમે બહુ જાણો છો’ બસ, પૂરું થઈ ગયું ! મહીં ગલગલિયા થાય જ, અંદર ગમે ને પછી મહીં રસ ઝરે. એને મહીં ગમે એટલે પૂરું થઈ ગયું. મહીં અંદર ચાખી જ લીધું, એ મહીં ઘર કરી જશે. શરૂઆત અહીંથી થાય અને પછી એ અંધારામાં રહે એટલે વધે, પછી પછડાટ ખાય છે.

પરમ પૂજ્ય દાદાશ્રી અહંકારના ઉદ્ભવ સ્થાનથી માંડીને તેના વિસ્તારના સમગ્ર ડાળાં-પાંદડાં ખુલ્લા કરે છે, જેમ કે અહમ્, અહંકાર, માન-અભિમાન-સ્વમાન, ગર્વરસ-ગારવતા.

આ મીઠાશમાં ‘મેં કર્યું’, ‘હું કરું છું’ આ બોલતાંની સાથે કર્તાપણાનો ગર્વરસ ઉત્પન્ન થાય. એ કરતો નથી પણ પોતે એમ માને છે કે ‘આ હું કરું છું.’ આ રસ એકલો જ એવો છે કે જે કોઈને છોડવો ગમતો નથી. જેના મૂળમાં કર્તાપણાની ભ્રાંતિની બિલીફ બેઠી છે એનું જોખમ સમજાવતા દાદાશ્રી કહે છે, ગર્વરસ એ આવતા ભવના બીજનું કારણ છે. તેને લઈને આ સંસાર ઊભો થાય છે.

પ્રસ્તુત અંકમાં ઊંડાણમાં ગર્વરસ કોને કહેવો, એની લાક્ષણિકતા, ઉદાહરણ, જોખમ ને એને નિર્મૂળ કરવા માટેની જ્ઞાનચાવીઓ વિસ્તૃતરૂપે સરળ ભાષામાં અહીં વ્યક્ત થઈ છે અને આ ગર્વરસ કેવી રીતે સાધકને આત્મસાધના કરતા બાધક કારણ બની આવરણ લાવે છે, તે સમજીને એને નિર્મૂળ કરવાનો પુરુષાર્થ શરૂ થાય એ અતિ આવશ્યક છે. આ પુરુષાર્થમાં નફો કરવા કરતા ખોટ કેમ અટકાવાય એ જ અતિ મહત્વનું છે. અહીં પરમ પૂજ્ય દાદાશ્રીની વાણીને સમજ સમજ કરવાથી કંઈક જાગૃતિ ઉત્પન્ન થાય અને આ મીઠાશવાળા દોષો ઓળખવાનો નવો દ્રષ્ટિકોણ મળે અને એની સામે જાગૃતિ રાખી યથાર્થ પરિણામ મેળવી શકાય એ જ હૃદયની પ્રાર્થના.

જય સચ્ચિદાનંદ.

(પા.૪)

કર્તાપણાની છાયામાં ઉછરતો મીઠો રસ ‘ગર્વરસ’

કર્તાપણાના અહંકારે ઉપજે ગર્વરસ

પ્રશ્નકર્તા : દાદા, અમે આ સંસાર વ્યવહારમાં કંઈ પણ સારું કામ કરીએ તો આ ‘મેં કર્યું’ એવું કામ કર્યાનો ગર્વ થઈ જાય, એનું કારણ શું ?

દાદાશ્રી : આ તો દેહ કરે છે, દેહના ‘સ્પેરપાર્ટસ’ (વિભાગો) કરે છે ને અહંકાર માત્ર ‘ઈગોઈઝમ’ (અહંકાર) જ કરે છે કે ‘મેં કર્યું !’ ‘મેં કર્યું’ એ જાય નહીં. ‘હું કરું છું’ એ જાય નહીં. આમાંથી ગર્વરસ પેદા થાય છે ને તેને લઈને જ જીવી રહ્યો છે. ‘મેં કર્યું, મેં દુઃખ ભોગવ્યું, મેં સુખ ભોગવ્યું’, તે ગર્વરસ ચાખી લે છે. આ ગર્વરસ જેનો ગયો, તે સંસારથી છૂટ્યો. આ ગર્વરસ અનંત અવતારથી શાથી ચાખે છે ? કારણ આત્મરસ ક્યારેય ચાખ્યો જ નથી.

જ્યાં સુધી આ જગતમાં ‘હું કર્તા છું, હું કંઈ પણ કરી શકું છું’ એ જે જે અણસમજણ છે, એ અજ્ઞાન દૂર થાય નહીં, ત્યાં સુધી આત્માય નહીં જડે ને આત્માની વાતેય નહીં જડે.

‘હું જ કર્તા છું’ એ ભાસ્યમાન પરિણામ છે, યથાર્થ પરણિામ નથી. યથાર્થમાં તો પોતે કર્તા છે જ નહીં. ‘હું કરું છું’ એ ભાન ઊડી જાય અને ‘કોણ કરે છે’ એ જાણી જાય, એનો ઉકેલ આવે.

ગર્વરસ સે ગલે મેં ફાંસી

પ્રશ્નકર્તા : (દાદા, એ સંદર્ભમાં પેલું કહ્યું છે ને કે) પરપરિણતિ અપની કર માને, ક્રિયા ગર્વે ઘેલો... એ સમજાવો.

દાદાશ્રી : કરે છે બીજો અને આપણે કહીએ, ‘મેં કર્યું.’ એ પરપરિણતિ કહેવાય છે. પરપરિણતિ ‘અપની કરી’ માને એટલે કે આ મારી સ્વપરિણતિ, એટલે મેં કર્યું. પછી ક્રિયા ગર્વે ઘેલો એટલે ક્રિયાઓના ગર્વમાં ‘આમ કર્યું ને તેમ કર્યું ને ફલાણું કર્યું’ ને ઘેલો થઈને ફર્યા કરે.

        જ્ઞાન સકલ નય સાધન સાધો, ક્રિયા જ્ઞાનકી દાસી;
       ક્રિયા કરત ધરતું હે મમતા, યહી ગલે મેં ફાંસી.

‘જ્ઞાનભાવ જ્ઞાન સબ માંહી’, બધામાં જ્ઞાન એટલે આત્મા કહો, જ્ઞાન કહો એ બધા જીવમાત્રની મહીં રહેલો છે. ‘શિવ સાધન સદહીએ (શ્રદ્ધીએ).’ એ મોક્ષનું સાધન (એના પર) શ્રદ્ધા રાખવા જેવી છે. ‘નામ ભેખ સે’, ખાલી ભીખ માંગવાથી કામ આપણું થશે નહીં. ભાવ સાથે રહેવું જોઈએ વીતરાગતાથી, ઉદાસીન ભાવે. ‘જ્ઞાન સકલ નય સાધન સાધો.’ એટલે બધી ડિગ્રીઓનું જ્ઞાન, ૩૬૦ ડિગ્રીઓનું જ્ઞાન હોવું જોઈએ, નહીં તો મતભેદ પડે. ૧૨૦ વાળા જોડે મતભેદ પડે, ૩૦૦ વાળા જોડે મતભેદ પડે. ‘ક્રિયા જ્ઞાન કી દાસી.’ જ્ઞાન સમજ પડેને તો ક્રિયા એની મેળે પાછળ આવે. ‘ક્રિયા કરત ધરતું હે મમતા, યહી ગલે મેં ફાંસી.’ ક્રિયાઓ કરે જ છે બધી અને પછી ‘મેં આ કર્યું, આમ કર્યું ને તેમ કર્યું’ એ ગળામાં ફાંસી આવી. કરે છે બીજો, ઉદયકર્મ અને પાછું કહે છે, ‘મેં કરી’, એ ગળામાં ફાંસી આવી.

ક્રિયા માત્ર સંસારને અડે છે. કારણ કે અહંકાર સિવાય કોઇ કરી શકે એમ નથી. એ અહંકાર ક્રિયા જ કરે છે, જે સંસાર અર્થે છે. ક્રિયા તો એવું છે ને કે જેને શોખ હોય દેવગતિમાં જવાના તેને માટે છે. બાકી ભગવાને આ જ્ઞાન બહાર પાડેલું છે કે મારા કર્મના ઉદયથી થઇ રહ્યું છે એવું જાણો. પણ આ તો ‘મારા કર્મના ઉદય’ તો ભૂલી જ જાય છે ને કહેશે, ‘હું જ કરું છું.’

પ્રશ્નકર્તા : એમાં (ક્રિયામાં) મમતા શબ્દ આવ્યો ને, એનો અર્થ કરોને !

(પા.૫)

દાદાશ્રી : મમતા એટલે ‘હું કરું છું.’ ‘હું કરું છું’ તેનું નામ મમતા કહેવાય. મમત, મેં આમ કર્યું ને તેમ કર્યું. ‘હું કરું છું’ એ મમતા. ‘ક્રિયા કરત હૈ, ધરત હે મમતા.’ ‘મેં કર્યું’ એવું. ‘યહી ગલે મેં ફાંસી.’ તે ફાંસી આવી. મફત છે ને ? સોનાની ફાંસી બતાવે, સોનાની પણ ફાંસી તો છે ને ? ‘ક્રિયા, બિના જ્ઞાન નહીં કબહુ.’ ક્રિયા, જ્ઞાન વગર હોય શકે જ નહીં. ક્રિયા જ્ઞાનની દાસી છે. તમે અહીંથી સ્ટેશન જવાનું જ્ઞાન જાણ્યું એટલે ક્રિયા એની દાસી જ છે. ક્રિયા એટલે વાત ક્યાં ગઈ ? એક વાર જાણવાની જરૂર. એને જાણી ન હોય તો એ દાસી કઈ જગ્યાએ જાય ! ‘ક્રિયા જ્ઞાન દોઉ મિલત રહત હૈ, જ્યું જલરસ જલ માંહી.’ ક્રિયા ને જ્ઞાન, પાણીમાં જેમ જલરસ રહેલું તેમ જ્ઞાનમાં ક્રિયા રહેલી જ છે.

અધ્યાત્મ વસ્તુ એ ક્રિયા નથી, એ તો દ્રષ્ટિ છે. જગતના લોકોની સંસાર દ્રષ્ટિ છે. ‘ક્રમિક માર્ગ’ કરવાનો છે ને ‘અક્રમ માર્ગ’ સમજવાનો છે, સમજથી શમાવાનું છે. ‘અક્રમ’ એ ક્રિયામાર્ગ નથી, ‘સમભાવે નિકાલ’ કરવાનો માર્ગ છે. ‘અક્રમ જ્ઞાન’ જ સ્વયં ક્રિયાકારી છે. આખા જગતના મનુષ્યો મન-વચન-કાયાની અવસ્થાને પોતાની ક્રિયા માને છે. ‘રીયલી સ્પીકિંગ’ (ખરા અર્થમાં) ‘પોતે’ કિંચિત્માત્ર કર્તા સ્વરૂપે છે જ નહીં. બધા અજ્ઞાન દશાના સ્પંદનો છે.

કર્તાપણું એ જ ઈગોઈઝમ

હવે ખરેખર કર્તા છે કે નહીં માણસ, એ તમને શું લાગે છે ?

પ્રશ્નકર્તા : છે અને નથી.

દાદાશ્રી : કયા ભાગમાં છે અને કયા ભાગમાં નથી ?

પ્રશ્નકર્તા : જો જ્ઞાનથી માને તો પોતે કર્તા નથી અને અજ્ઞાનથી જડરૂપે જે થતું હોય, એમાં જો પોતે માને કે ‘હું કરું છું’ તો છે.

દાદાશ્રી : પણ આપને શું લાગે છે ? અત્યારે તમારો અનુભવ શું કહે છે ?

પ્રશ્નકર્તા : અત્યાર સુધી જે કક્ષા છે એ પ્રમાણે તો એમ લાગે છે કે છીએ જ કર્તા !

દાદાશ્રી : જે જે ક્રિયા કરવામાં આવે છે એ બધા પ્રકૃતિના નાચ છે. પ્રકૃતિ નાચે છે અને પોતે કહે છે કે ‘મેં કર્યું.’ એનું નામ તે ગર્વ કહેવાય. એનું નામ જ ઈગોઈઝમ !

અહંકાર બંધ કરવો સહેલો

પ્રશ્નકર્તા : પણ એ કર્તાપણા સાથે અહમ્નો ભાવ સંકળાયેલો છે.

દાદાશ્રી : હા, તે ?

પ્રશ્નકર્તા : આ સંસારી જીવો ખરાં, એને જે કર્તાપણાનો કે જે કંઈ અહમ્ હોય છે તે મીટાવી દેવો એ કંઈ સહેલી વસ્તુ નથી.

દાદાશ્રી : ના, સહેલામાં સહેલી વસ્તુ જ એ છે. સહજમાં સહજ વસ્તુ એ અહંકાર બંધ કરવો તે ! ક્રોધ-માન-માયા-લોભ બંધ કરવા એ બધું સહજમાં સહજ વસ્તુ છે. બાકી કષ્ટે કરીને કોઈ દહાડોય ક્રોધ-માન-માયા-લોભ જાય નહીં. ગમે એટલા કષ્ટ સેવે, ગમે તેટલા કષ્ટ કરે તોય એ અહંકાર જાય નહીં.

અહંકાર, માન, અભિમાન, ગર્વ... એક નથી

પ્રશ્નકર્તા : દાદા, ધારો કે મેં બહુ સારું ઓપરેશન કર્યું હોય અને કહું કે ‘બહુ સારું ઓપરેશન કર્યું’ તો લોક કહેશે કે આ તો બહુ અભિમાની છે.

દાદાશ્રી : હા, એવું કહે ત્યારે અભિમાની કહે છે, પણ અહીં અહંકાર મૂળ વસ્તુ છે.

પ્રશ્નકર્તા : અહંકાર, માન ને અભિમાન, 

(પા.૬)

એમાં ફેર શો ? એ પછી માનમાંથી જ અભિમાન જન્મતું હશે ને ?

દાદાશ્રી : ના, અભિમાન ક્યારે જન્મે ? મમતા હોય તો અભિમાન જન્મે. અહંકાર જુદી દશા છે અને અભિમાન જુદી દશા છે. આ આપણા લોકોને કશું ભાન તો છે જ નહીં, ખરેખરું ભાન નથી. ઠોકાઠોક કરે !

અહંકાર કોને કહેવો, અભિમાન કોને કહેવું, માન કોને કહેવું, ગર્વ કોને કહેવો, એ તો બધા જાતજાતના શબ્દો છે. લોક તો ગર્વ અને ગારવતા, એ બધું પોતાની ભાષાથી સમજે ને ? અભિમાનને ગર્વ કહે એવા લોક છે આપણા.

અહંકાર અણસમજણથી, અભિમાન સમજણથી

પ્રશ્નકર્તા : તો દાદા, અહંકાર ને અભિમાનમાં શું ફેર ?

દાદાશ્રી : હવે આ અભિમાન અને અહંકારમાં ફેર શું હશે ? ત્યારે કહે, ‘હું ચંદુભાઈ’ એ અહંકાર. જ્યાં નથી ત્યાં તમે આરોપ કરો કે ‘હું છું,’ એનું નામ અહંકાર અને આ મારા બંગલા, આ મારી મોટરો એમ દેખાડે, એ અભિમાન ! વસ્તુ તો એની પાસે છે, પણ એનું આરોપણ કરીને પોતાનો દેખાવ કરવો ગર્વ ચાખવા માટે, એ અભિમાન કહેવાય. ત્યારે ધોળા વાળ કેમ નથી દેખાડતા ? ‘જુઓ, મારા ધોળા વાળ આવ્યા !’ પણ અત્યારે તો લોક કાળા કરી લાવે પાછા, હં ! રંગી લાવે ! એટલે અહંકાર તો અણસમજણથી થયેલો છે અને અભિમાન તો સમજણપૂર્વક. પોતે ગર્વરસ લે છે કે આ મારી વાડી જુઓ, આ જુઓ, તે જુઓ.’ એટલે આપણે જાણીએ કે અભિમાન ચડ્યું છે આને.

અહંકાર, પછી એ મમતા સ્વરૂપની સાથે થયો એટલે અભિમાન ઊભું થયું, કંઈ પણ મમતા, ગમે તે જાતની ! એટલે કોઈ પણ પ્રકારની મમતા સહિત છે એ અભિમાન થયું. જ્યારે અહંકાર એકલો હોય, મમતા વગર હોય, તો એ અહંકાર કહેવાય.

અહંકાર તો કાઢી નખાય ને અભિમાન તો મહા દુઃખદાયી. કુદરતનો ધંધો શું છે ? અભિમાનને જ ઉતારવાનો ધંધો છે. અભિમાન વધે કે પડ્યો જ છે. મારે લાપોટ ઉપરથી ! અહંકારનો વાંધો નથી.

અભિમાન કરે કે નીચે જવાની તૈયારી થઈ. નમ્રતા રાખવી જોઈએ. જેમ જેમ આપણી પાસે વિશેષ સાંસારિક સાધનો હોયને, તેમ નમ્રતા હોવી ઘટે.

પૌદ્ગલિક વેઈટને પોતાનું માનવું એ અભિમાન

આ અભિમાન એટલે તમને સમજાયું ને ? કે પૌદ્ગલિક ‘વેઈટ’ (મહત્ત્વ)ને પોતાનું ‘વેઈટ’ માનવું તે. ‘હું મોટો છું’ એમ માનવું, પછી સોનાની જણસો, ઘડિયાળ, ઘરાં ને એ બધું જે પૌદ્ગલિક ‘વેઈટ’ છે એને પોતાનું ‘વેઈટ’ માનવું, તે અભિમાન ! આ બંગલાનું ‘વેઈટ’ છે એને પોતાનું જ ‘વેઈટ’ એ માને. આપણા લોક તો ‘આ મારા બંગલા જુઓ ને આમ જુઓ ને તેમ જુઓ ! આ મારા બંગલા કેવા સરસ છે !’ એવું બોલે તો કોઈ કહેશે કે અહંકાર બોલે છે. કોઈ કહે, ‘આ અહંકારી છે.’ ના, એ અભિમાની કહેવાય. અભિમાનમાં તો, એ રસેય બહુ મીઠો હોય. ‘આ મારા બંગલા’ એમ કહે કે તરત મહીં મીઠાશ વર્તે. એટલે પછી એને ‘હેવમોર’(આઈસ્ક્રીમ)ની પેઠ ટેવ પડી જાય.

એ તો અહીં હિતાહિતનું ભાન નથી, એનું કારણ છે કે અજાગૃતિ છે. સંપૂર્ણ જાગૃતિ વર્તે, ત્યારે પોતાની એક પણ ભૂલ ના થાય. એક પણ ભૂલ થાય એ અજાગૃતિ છે. દોષ ખાલી કર્યા વગર નિર્દોષ ના થવાય.

અહંકારની શૂન્ય તરફ યાત્રા

જ્યાં સુધી અમને ‘જ્ઞાન’ નહોતું થયું, ત્યાં સુધી દેહાભિમાન નહોતું ગયું. ઊલટું પાશેર હતું 

(પા.૭)

ને, તે સવાશેર થયું હતું. જન્મ્યો ત્યારે પાશેર હતું, પછી જેમ મોટો થયો એમ સવાશેર થતું ગયું. પાશેર હતું તેય કૈડતું હતું તો સવાશેર શું નહીં કૈડ્યું હોય ?

પ્રશ્નકર્તા : પણ એમાં જે તમે કીધું કે દેહાભિમાન પાશેરનું સવાશેર થઈ ગયું અને પછી એનું શૂન્ય કેવી રીતે થયું ?

દાદાશ્રી : ઓચિંતું જ ! મેં તો આમાં કશું નથી કર્યું. ‘ધીસ ઈઝ બટ નેચરલ’ (કુદરતી રીતે) થઈ ગયું. એટલે લોકોને હું કહું છું કે નકલ કરવા જેવી નથી આ. ‘નેચરલ’ છે, પછી એમાં તું શું કરીશ ? હવે મારી પાસે આવ, હું તને રસ્તો દેખાડીશ. મને રસ્તો જડ્યો છે. બાકી, હું જે રસ્તે ગયો છું તે રસ્તે તું કરવા જઈશ તો માર્યો જઈશ. કારણ કે મારે તો પાશેરને બદલે સવાશેર થયું, તે મારાથી સહન નહોતું થતું. એ દિવસો કેમ કાઢવા તે તો હું જ જાણું.

પ્રશ્નકર્તા : પેલું કહ્યું છે ને, ‘દેહાભિમાન હતું પાશેર, વિદ્યા ભણતાં વધ્યું શેર અને ગુરુ થયો ત્યાં મણમાં ગયો.’ હવે એમાંથી શૂન્ય ઉપર કેવી રીતે અવાય એ જ મહત્ત્વનું.

દાદાશ્રી : હવે આ ‘જ્ઞાન’ પછી તમારો પુરુષાર્થ દિવસ-રાત કઈ બાજુ જઈ રહ્યો છે ? શૂન્ય તરફ જઈ રહ્યો છે. પહેલાં શું થતું હતું ? કે મણનો બે મણ થાય, તે તરફ જતું હતું. હવે શૂન્ય તરફ જઈ રહ્યા છો. એને આપણે એમ કહીએ કે હવે શો ઉપાય ? તોય તે કંઈ વળે નહીં. એટલે અત્યારે પદ્ધતિસર જ છે. શૂન્ય તરફ જઈ રહ્યો છે અને એ થવાનું જ !

ફેર, ગર્વ અને અભિમાનમાં

પ્રશ્નકર્તા : આ ગર્વ અને અભિમાન, એમાં કંઈ ફેર ખરો ?

દાદાશ્રી : બહુ ફેર. ગર્વ તો કોને કહેવાય કે ‘આ મેં કેવું સરસ કર્યું છે !’ તે હું સમજુ, કે આ કર્યાનો એને ગર્વ હોય. વકીલ આવે ને તે કહેશે, ‘આ મેં તને કેવી રીતે જીતાડ્યો એ હું જ જાણું છું. તને અક્કલ નથી ને !’ એ ગર્વરસ લીધો કહેવાય, એ અભિમાન ના કહેવાય. સમજાયુંને તમને ?

પ્રશ્નકર્તા : એટલે આ સ્વપ્રશંસા ને ગર્વરસ એક જ કહેવાયને ?

દાદાશ્રી : ના, સ્વપ્રશંસા એટલે કોઈક કહે કે ‘તું બહુ ડાહ્યો છે ને તું બહુ લાયક માણસ છે ને તારા જેવા માણસ ક્યાંથી મળે !’ એ સ્વપ્રશંસા ! એવું કહે એટલે પછી બીજું બધું વિસારે પડી જાય. તમારે આખો દિવસ કામ કરાવવું હોય તો એ કરેય ખરો. અને ગર્વરસ એટલે ‘મેં કેવું સરસ કર્યું ! કેવું આમ કર્યું !’ જે કામ કર્યું હોય ને, તે ‘કેવું સરસ છે’ એમ એનો રસ ચાખે, એ ગર્વરસ !

‘મેં કર્યું’ એનું નામ ગર્વ

‘ઇગોઈઝમ’ શાથી પેઠો છે ? અજ્ઞાનતાને લઈને. શેની અજ્ઞાનતા ? આ બધું કોણ કરે છે તે અજ્ઞાનતા છે. તેથી નરસિંહ મહેતા શું કહે છે ? ‘‘હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જ્યમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કો’ક જાણે.’’ શું ખોટું કહે છે આ નરસિંહ મહેતા ? ત્યારે કેટલાક કહે છે કે ‘મેં આ કર્યું, મેં સ્વાધ્યાય કર્યો, મેં તપ કર્યું, મેં જપ કર્યાં’ તે કયું સાચું ? એટલે ‘હું કરું, હું કરું’ એ અજ્ઞાનતા, તે શી રીતે પામે માણસ ? અને ગર્વ એટલે શું ? કે પોતે કરતો નથી ત્યાં ‘મેં કર્યું’ એમ કહે, એનું નામ ગર્વ. પોતે કરતો નથી, ‘ઈટ હેપન્સ’ (થઈ રહ્યું) છે.

પા રતલે અભિમાન, ૪૦ રતલે ગર્વરસ

પ્રશ્નકર્તા : દાદા, હજુ એનો વધારે ફોડ પાડોને.

દાદાશ્રી : અભિમાન ને ગર્વ બેઉ સામસામા 

(પા.૮)

ત્રાજવામાં મૂકીએ તો કેટલું થાય ? એક બાજુ ત્રાજવામાં ગર્વ મૂકીએ ને એક બાજુ અભિમાન મૂકીએ તો ? અભિમાન પા રતલ થાય અને ગર્વ ચાલીસ રતલ થાય.

પ્રશ્નકર્તા : કઈ રીતે એ સમજાવો.

દાદાશ્રી : એવું છે, લોક તો અભિમાનને સમજતું નથી, ગર્વને સમજતું નથી. ગર્વ એટલે અભિમાન નહીં. અભિમાન શબ્દ જુદો, ગર્વ જુદો, અહંકારેય જુદો.

પ્રશ્નકર્તા : તો ગર્વ એટલે હુંપદ ?

દાદાશ્રી : ના, હુંપદ એટલે અહંકાર કહેવાય. ‘હું ચંદુભાઈ છું’ એ અહંકાર કહેવાય. વખતે તમારામાં અભિમાન ના પણ હોય, ગર્વ પણ ના હોય. જ્યાં પોતે નથી ત્યાં હું માનવું, એનું નામ હુંપદ. જે સ્વપદ ચૂક્યા એ હુંપદમાં હોય. ગર્વરસ તો બહુ ચીકણો હોય. આ અભિમાન તો ભોળો રસ બિચારો, પા રતલ ને ગર્વરસ તો ચાલીસ રતલ !

દુનિયાનો સૌથી મીઠો રસ એ ગર્વરસ

પ્રશ્નકર્તા : આ જરા ગર્વરસનો દાખલો આપી સમજાવો.

દાદાશ્રી : આપણે પૂછીએ કે ‘સાહેબ, ચાર સામાયિક તમે કર્યાં ?’ ત્યારે એ કહે, ‘બીજું કોણ કરનાર ? હું જ કરનારો ને !’ ત્યારે આપણે સમજીએ ને કે આને કેટલો કેફ છે ! મનમાં પોતાની જાતને શુંયે માની બેઠો હોય ! પણ બીજે દહાડે આપણે કહીએ, ‘કેમ, આજે કેટલી સામાયિક કરી ?’ ત્યારે એ કહેશે, ‘આજ તો પગ દુઃખે છે, એકેય નથી કરી.’ નહીં તો કહેશે, ‘મારું માથું દુઃખે છે.’ તો કાલે સામાયિક પગે કરી હતી કે તમે કરી હતી ? કોણે કરી હતી ? જો તમે કરી હોય તો પગનું બહાનું ના કાઢશો. આ તો પગ પાંસરા છે, માથું પાંસરું છે, પેટમાં દુઃખતું નથી તેથી સામાયિક થયું. બધું રેગ્યુલર હોય, બધાં સંજોગો પાંસરા હોય ત્યારે થાય છે. તેમાં તમે એકલા શું કરવા માથે લો છો ? એટલે આ પરસત્તાએ કર્યું, એમાં તમારું શું ? એવું માથે લે કે ના લે ?

‘ગર્વરસ’ એ એક જાતનો એવો મીઠો રસ છે, એ ગર્વરસ ચાખવો છે અને ગર્વરસને લઈને આ સંસાર ઊભો રહ્યો છે. દારૂને લીધે, બીડીઓને લીધે કે ચાને લીધે આ સંસાર ઊભો નથી રહ્યો, પણ આ ગર્વરસને લઈને ઊભો રહ્યો છે. આ રસ એકલો જ એવો છે કે કોઈને છોડવાનો ગમતો નથી.

‘હું કરું છું’ તે ગર્વરસ

આ જગતમાં જે જે ક્રિયાઓ દેખાય છે, એ પૂરણ કરેલી ગલન થઈ રહી છે, એમાં કશું લેવા-દેવા નથી માણસને. એમાં જ એ અહંકાર કરે છે કે ‘મેં સામાયિક કર્યું’, એનાથી હિસાબ બંધાયો ! ઝપટાયો ! ગર્વરસમાં જ મઝા કર્યા કરે !

હવે ગર્વ એટલે શું ? આ જે વ્યાખ્યાન આપે પછી મહારાજ કહે, ‘કેવું સરસ વ્યાખ્યાન અપાયું આજ’, તે ગર્વ. એને સાચું માનેલું તે ગર્વ. ‘મેં આ કર્યું, તે કર્યું’ એનું નામ ગર્વ. પેલું કરતાંની સાથે જ ગર્વરસ ઉત્પન્ન થાય, એ જે કર્તાપણાનો ગર્વરસ ઉત્પન્ન થાય, એ ચાખે એટલે એને મજા આવે. એ પોતે કરતો નથી પણ એ એમ માને છે કે ‘આ હું કરું છું.’ એટલે ગર્વરસ ઉત્પન્ન થાય છે અને એને લઈને એ પછી ‘હું કરું છું’ બોલ્યા કરે.

આરોપિત ભાવ કરી ગર્વરસ ચાખે

આ તો ‘ઇગોઈઝમ’ કર્યા કરે છે ખાલી. આ બધું કરે છે ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ પણ ‘પોતે’ કહે છે કે ‘હું કરું છું’ તે ગર્વરસ ! અભિમાનમાં એવું ના જાણે કે ‘આ બધાનો કર્તા હું છું’ અને ગર્વરસ તો ‘હું કર્તા છું’ એવું માને. એટલે એકનો કર્તા એટલે આખા બ્રહ્માંડનો કર્તાય 

(પા.૯)

હું છું એવું માને. એટલે ગર્વરસ તો બધે બહુ સુધી પહોંચે છે. ગર્વ કરતા હશે કોઈ ? અરે, બધી બાબતમાં ગર્વ છે. ‘હું કરું છું’ એ ભાન, એ બધું ગર્વ કહેવાય.

ગર્વ એટલે શું એ તમને સમજાવું. કોઈ આપણને કહેશે, ‘મેં ચાર સામાયિક કરી.’ તે ઘડીએ એનાં મોઢા પર આમ ખૂબ આનંદ દેખાતો હોય. ‘મેં ચાર સામાયિક કર્યા’ કહેતાની સાથે આમ ‘ટાઈટ’ થઈ જાય અને આપણે પૂછીએ, ‘આણે કેટલી સામાયિક કરી ?’ ત્યારે એ કહે, ‘એનાથી થતી નથી, એક જ કરી છે એણે.’ એક સામાયિક કરી હોય તેની પર જરા દયા ખાય. કહે, ‘આનાથી બિચારાથી થતું નથી.’ પહેલી દયા આવે ને પછી તિરસ્કાર આવે. એની મહીં સ્પર્ધાની ભાંજગડો રહે પાછી. એક એ, બીજું ‘મેં કરી’ તેનો ગર્વ રહે, ગર્વ ચાખે. એટલે ગર્વરસથી ઊભું રહ્યું છે, તે આપણી જ ભૂલ છે ને ! તેમાં ભગવાન શું કરે ?

એટલે કર્તા ખરેખર નથી આપણે. કર્તા બીજી જ વસ્તુ છે. આ આપણે આરોપ કરીએ છીએ, આરોપિત ભાવ કરીએ છીએ કે ‘હું કરું છું આ.’ એનો ગર્વરસ ચાખવાનો મળે. એવો ગર્વરસ તો બહુ મીઠો લાગે પાછો અને તેથી કર્મ બંધાય. ગર્વરસ ચાખ્યો, આરોપિત ભાવ કર્યો કે કર્મ બંધાયું.

‘મેં કર્યું’ના ગર્વરસની જોખમદારી

પ્રશ્નકર્તા : પણ જો આપણે કર્તા નથી તો જે કર્મ આપણે અવશ્યપણે કરીએ છીએ, તેના ફળ આપણે કેમ ભોગવવાના ?

દાદાશ્રી : ‘આ મેં કર્યું.’ પોતે કર્તા છે નહીં છતાંય ‘મેં કર્યું’ એમ કહે છે, એનો ગર્વરસ ચાખે છે. એટલે જવાબદારી પછી એની રહે છે. અમને એ ગર્વરસ ના થાય એટલે અમને જવાબદારી આવે નહીં.

આ રાજા શું કહે છે કે ‘મેં લાખો માણસોને મારી નાખ્યા.’ રાજા તો ખાલી અહંકાર જ કરે છે, ગર્વરસ લે છે. એ તો જે લડાઈ ઉપર હતા, તેમણે માર્યા. રાજા વગર કામની જોખમદારી લે છે ! માર્યા હોય પેલા લડવૈયાઓએ, પણ રાજા કહે કે ‘મેં માર્યા.’ આવું ગાંડું જ બોલે છે. એ લોકોને ફળ કેવું મળે છે ? આનાથી મારનાર છે એ છૂટી જાય. નિયમ શું છે કે જે અહંકાર વહોરી લે, તેના માથે જોખમદારી થાય. ‘મેં માર્યું’ ત્યારે કહે કે લે. હવે આખું ગુપ્ત તત્વ લોકો સમજે નહીંને !

પ્રશ્નકર્તા : ને જોખમદારી તો વિચારે જ નહીં.

દાદાશ્રી : ભાન જ ન હોયને ! આ તો એમ જ જાણે કે ઓહોહો ! આ દુનિયામાં મારી આબરૂ વધી ગઈ. હા, એક બાજુ આબરૂ વધી ગઈ, પણ એનું ફળ આવશે. તે તારે એકલાને જ ભોગવવાનું. અહંકાર જે કરે, તેને એનું ફળ મળે. થતું હોય એની મેળે, કર્મના ઉદયે રાજા બનાવ્યા એમને પણ એ અહંકાર કરે, ‘મેં કર્યું !’ કે માર પડ્યો.

ભાંજગડ માત્ર ‘હું કરું છું’ એટલી જ

પ્રશ્નકર્તા : તો મારા પોતાના જગતનો હું કેવી રીતે અને કેટલા અંશે કર્તા છું ?

દાદાશ્રી : હવે એ પોતે જગતનો કર્તા નથી છતાં ‘હું કરું છું’ એવું એ માને છે. ભ્રાંતિથી એવું માને છે કે ‘આ બધું હું કરી રહ્યો છું.’ સંડાસ હું જઈ આવ્યો, રાત્રે ઊંઘી ગયો હું, ઊઠ્યો હું. હવે આ વર્લ્ડમાં કોઈ માણસ એવો નથી કે ઊંઘવાની શક્તિ ધરાવતો હોય, ઊઠવાની શક્તિ ધરાવતો હોય. સંડાસ જવાની શક્તિ ધરાવતો હોય એવો કોઈ માણસ છે નહીં. એ ફોરેનના દાક્તર ભેગા કરીને મેં કહ્યું ત્યારે ઊંચા-નીચા થવા માંડ્યા. ત્યારે મેં કહ્યું, ‘એ તમારે અટકશે ત્યારે ખબર પડશે. સંડાસ જવાની શક્તિ તારી પાસે જ્યાં સુધી કુદરતે આપી છે ત્યાં સુધી. અને જ્યારે અટકે ત્યારે ? ત્યારે ખબર પડેને, આપણી શક્તિ નહોતી ?’

(પા.૧૦)

વિચારો તો ખરા જરા ! ત્યારે કહે, ‘યસ, યસ.’ મેં કહ્યું, ‘ત્યારે તમે ધોળ્યું શું એ કહો.’ ત્યારે કહે કે ‘અમે બધાને મટાડીએ.’ મેં કહ્યું કે ‘તું તો નિમિત્ત છું મૂઆ, તું વળી કોણ મટાડનારો ? તું નવો કંઈથી પાક્યો ને તારી બેન શું કરવા મરી જાય ? તારા બાપા શું કરવા મરી જાય ?’ આવી ગયા મોટા મટાડવાવાળા !

પ્રશ્નકર્તા : પણ તો પછી વિજ્ઞાનના જે પ્રયોગો અમે કરીએ એનો કોઈ અર્થ જ નહીં, બધું ગોઠવેલું જ છે ?

દાદાશ્રી : એ એમ જ છે. આ તો વચ્ચે આ ઈગોઈઝમ કરી ખાય છે એટલું જ છે. આ વચ્ચે ઈગોઈઝમ એટલે ગર્વરસ ચાખી જાય છે. તમને કેમ લાગે છે ? આપણી શક્તિ નથી એમ ખબર પડી જાયને ? આમાં કઈ શક્તિ છે ? એટલે આ બધું ઈટ હેપન્સ, થઈ રહ્યું છે અને તમે ઉપરથી કહો છો કે ‘હું કરું છું.’ આ બસ એટલી જ ભાંજગડ છે.

લીમડો પાને પાને ને ડાળે ડાળે કડવો થાય, તેમાં તેનો કયો પુરુષાર્થ ? એ તો બીજમાં પડેલું પ્રગટ થાય છે. તેમ મનુષ્યો પોતાના પ્રાકૃત સ્વભાવથી વર્તે છે ને માત્ર ‘મેં કર્યું’નો અહંકાર કરે છે.

ગર્વરસ ચાખે ત્યાં સુધી મોક્ષ રહ્યો દૂર

હવે આના કર્તાપણાનો રસ ચાખે છે તેથી જીવાય છે આ લોકોથી. અત્યારે આ બધા સાધુ-સંન્યાસીઓ શેના પર જીવે છે ? એ શું ખાય છે ? ગર્વરસ પીને જ જીવે છે આ બધા. અત્યારેય શાસ્ત્રોના મોટા મોટા વાંચનારા હોય, પણ ‘મેં કર્યું’ એના આધારે જીવે છે, એની મસ્તીમાં !

આ ગર્વરસ આગળ એને કશું ગમતું નથી. ગર્વરસ બહુ ગમે છે એને. એ કહેશે, ‘મેં ત્યાગ કર્યો. સ્ત્રીનો ત્યાગ કર્યો, કરોડો રૂપિયા છોડીને આવ્યો છું, તે મોક્ષને માટે જ આવ્યો હોઈશ ને !’ ત્યારે મેં કહ્યું, ‘શેને માટે એ તો તમે જાણો. તમને હજુ કયો રસ ચાખવાનો ગમે છે, એ શું ખબર પડે ? આ રૂપિયાનો રસ ના ગમ્યો, પણ બીજા તો જાતજાતના રસ હોય છે ને જાતજાતની કીર્તિઓ હોય છે.’ જ્યાં સુધી ગર્વરસ ચાખે છે, ત્યાં સુધી મોક્ષની વાતો કોઈએ કરવી નહીં.

ગર્વરસ ચાખી મઝા માણે

ગર્વ એટલે ‘જ્યાં પોતે નથી કરતો’ ત્યાં આગળ ‘કરે છે’ એવું માનવું. તે વખતે રસ ઉત્પન્ન થાય છે મહીં, ગર્વરસ ઉત્પન્ન થાય છે. તે બહુ મીઠું લાગે છે. એટલે એને મજા આવે છે કે મેં કર્યું !

પ્રશ્નકર્તા : પણ વાતાવરણ પણ એવું છે કે નિમિત્તને ચોંટી પડે, હારતોરા કરે, માનપત્રો આપે કે ‘તમે જ કર્યું.’

દાદાશ્રી : હા, ‘તમે જ કર્યું, તમે જ કર્યું’ એમ કરીને ચોંટી પડે.

કોઈનું સારું કર્યું ને, એનો ગર્વ લે. પાછું ખરાબ કર્યું તેનોય ગર્વ લે, એટલે કે ભલભલાને મેં મારી નાખેલા. ભલભલાને મેં શ્રીમંત બનાવી દીધેલા, પૈસાવાળા બનાવી દીધા, એવો ગર્વ લે.

કોઈ જગ્યાએ પાન ના મળે ને કોઈ પાન લઈ આવ્યું હોય તો તે બે-ત્રણ વખત ગાઈ બોલે, ‘કોઈ જગ્યાએ નહોતું મળતું, હં !’ એ ગર્વરસ. ‘હું હતો તે લઈ આવ્યો, નહીં તો આ ઠેકાણું ના પડત’ કહે. એ ગર્વરસ ચાખે, બહુ મઝા આવે.

અહંકારથી ચાખે ગર્વરસ

ગર્વરસમાં ‘મેં આ છોડ્યું, મેં આ છોડ્યું, બટાકા છોડ્યા, કંદમૂળ નામેય નહીં, રોજ ચોવિહાર કરું છું’ કહે. તો એમાં મહાવીર ભગવાનને શો ઉપકાર ? તારા પોતાના હારુ કરું છું. જાણે ભગવાન 

(પા.૧૧)

ઉપર ઉપકાર ના કરતો હોય ? ‘રોજ ભગવાનનો કહેલો ચોવિહાર કરું છું.’ અલ્યા મૂઆ, પણ તે ભગવાનને શું એમાં ? તને લાભ થાય. ચોવિહાર કરું તો રાતે જીવડું મોઢામાં ના જાય, બીજું ના જાય. ખોરાક પચે સારો. એ તો સાયન્સ છે, એમાં ભગવાનને શું લેવાદેવા ? દેહ સારો રહે તો તને ફાયદો. આ દહાડે દહાડે ખાઇ લેને છાનોમાનો. દહાડે ખાઇ લે, તે અજવાળે પચેય સારું. સૂર્યનારાયણની હાજરીમાં ખોરાક પચે છે. એક તો પાચન શક્તિ સારી રહે અને બીજું મહીં જીવડું-બીવડું પેટમાં જાય નહીં. એટલે પેલો કોઢ-બોઢ ના થાય. જાત જાતના રોગો ઊભા થાય છે ને ? અહંકાર ગર્વરસ ચાખ્યા વગર રહે નહીં ને !

સૂઝથી ઉકેલાતા કામોનો ખાય ગર્વરસ પોતે

પ્રશ્નકર્તા : આપણે કંઈક કામ કરીએને, એટલે એમાં કોઈ વખત બુદ્ધિથી કામ થાય અને કોઈ વખત ઘણાને સૂઝ હોય એટલે અંતર સૂઝ. એટલે મેં મારું કહ્યું કે ‘મને સૂઝ પડી જાય એમ કંઈ’ અને કામ તરત થઈ જાય. પણ એ સૂઝ પડે અને પછી પોતે માને કે ‘આ મને આવડે છે, મેં કર્યું.’ એક્ચ્યુઅલી (ખરેખર) સૂઝ કરાવતી હોય. પછી એ તો થાય અને જોડે પાછો ગર્વરસ ચાખે કે ‘મને કેવું સરસ આવડે છે ! કોઈને નથી આવડતું એવું મને આવડે છે.’ અને આમ છે, તેમ છે ને એ બધું. એ ગર્વરસ મહીં પછી મીઠો લાગ્યા કરે અને મારી પાડે આપણને. પછી આખો એનો અહંકાર રહે.

દાદાશ્રી : એટલે એમાં ગર્વરસ ચાખીએ છીએ આપણે. એ ગર્વરસને લઈને આ ચોંટી રહે. એ રસ છૂટી જાયને તો એને (ચંદુને) વઢીએ, તો આપણને એ રસ આવે નહીં. એટલે પેલું મજા ના આવે. મજા જાય પણ એની (ચંદુ) જોડે છૂટા થઈએને ! તો જ દાદાની આજ્ઞા પળાયને !

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : ‘મેં ઠીક કર્યું’ એવો ગર્વરસ ખાય. મનમાં આનંદ થાય શાથી ? તો કહે, ‘કઢી મેં કરી’ એવું એને લાગે છે અને બીજે દહાડે કઢી બગડી જાય તો કહે કે ‘હું શું કરું ?’

આ તો પોતે નથી કરતા, એ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ કરે છે. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર, હાથ-પગ ભેગા થઈને કરે છે. નહીં તો રાઈ ક્યાં મૂકી હોય એ જ યાદ ના આવે. આ તો પોતે ગર્વરસ ભોગવે છે. ગર્વરસ બહુ મીઠો લાગે છે.

કમાય ત્યારે ‘હું કમાયો’ કહી ગર્વરસ ભોગવે ને ખોટ જાય ત્યારે દુઃખી થઈ જાય. આરોપ કરે તેનાથી દુઃખો છે. ભગવાન તો પરમાનંદી છે અને એ જ પોતાનું સ્વરૂપ છે.

પ્રશ્નકર્તા : દાદા, ઘણી વખત પછી એમ થાય કે ફાઈલ એકે કર્યું છે ને ! એ બેઉ થતું હતું. પેલું લાગે ખરું, ચોંટે ખરું. હા, મેં કર્યું હતું એમ ! મીઠું લાગે.

દાદાશ્રી : એ જ ગર્વરસ અને તે તમને છૂટવા ના દે.

જ્ઞાનીની વાત બુદ્ધિથી ના ચાળશો

હવે આ બધું ચાલ્યા જ કરવાનું. એમાં પોતે ચલાવતો જ નથી. આ તો જરા ગર્વરસ ચાખવાની ટેવ પડેલી ને ! એટલે બીજાનો આઠસોનો પગાર દેખે ને, એટલે મનમાં એમ થાય કે ‘આપણને તો અઢારસો મળે છે એટલે આપણને વાંધો નથી, આને તો આઠસો જ મળે છે !’ એ ચાલ્યું ! જાણે અઢારસો ઉપર કોઈ ઉપરી જ ના હોયને, એવું ! જ્યાં ઉપરી હોય ને, ત્યાં સ્પર્ધા હોય જ ! ત્યાં ઊભા રહેવાનું કારણ જ શું આપણે ? આ કંઈ ‘રેસકોર્સ’માં આવ્યા છીએ ? આપણે શું ‘રેસકોર્સ’ના ઘોડા છીએ ? એના કરતાં ત્યાં કહી દે ને, ‘હું સાવ મૂરખ છું.’ અમે તો કહી દઈએ છીએ ને, કે ‘ભઈ, અમારામાં અક્કલ 

(પા.૧૨)

નથી. અમારામાં આ બધા વ્યવહારની સમજણ નહીં ને !’ અને એ ચોખ્ખી જ વાત કરી દઈએ છીએ ને ! ત્યારે જ અમને એ છોડે ને ! આવું કહીએ ત્યારે ઉપાધિ મુક્ત થઈએ ને !

અને એવું છે, અમને તો દાઢી કરતાં પણ નથી આવડતી. ત્યારે આ બ્લેડથી છોલાઈ જાય છે ને ! અને જેને દાઢી કરતાં આવડે એવો માણસ પણ અમે જોયો નથી (કે જેને ક્યારેય છોલાયું ન હોય) ! આ તો મનમાં શું યે ‘ઇગોઈઝમ’ લઈને ફર્યા કરે છે ! આવું તો મારા જેવા જ કોઈક કહે ને ! બાકી, સામે તો આખી દુનિયા છે. થોડાં ઘણાં માણસ હોય તો તો ‘વોટિંગ’ મળે, પણ આ તો ‘વોટિંગ’માં હું એકલો જ થઉં. એટલે પછી હું બૂમ મારું નહીં, ચૂપ રહું. કારણ કે ‘વોટિંગ’માં હું એકલો જ આવું. બાકી, આવી ચેતવણી કોણ આપે ? અને હું ક્યાં ચેતવણી આપવા બેસું ? એટલે કેવી દુનિયામાં આવી ફસાયા છીએ !

આ વાતો સાંભળવાની તમને ગમે છે ? કંટાળો નથી આવતો ? અને આ વાતને ચાળશો નહીં, ચાળવા ના રહેશો. એમ ને એમ મહીં નાખી દેજો, નહીં તો જોખમદારી તમારી આવશે. આ તો અહીં ‘પ્યૉર’ વસ્તુ છે, એને બુદ્ધિથી શું ચાળવાની ?

ગર્વરસની ભૂલ ભાંગે તો કામ થઈ જાય

આખું જગત પ્રાકૃત ગુણોમાં જ છે. આખું જગત ભમરડા છાપ છે. આ તો સામાયિક-પ્રતિક્રમણ પ્રકૃતિ કરાવે અને પોતાને માથે લે છે ને કહે છે કે ‘મેં કર્યું !’ તે ભગવાનને પૂછે તો ભગવાન કહે કે ‘આ તો તું કાંઈ જ કરતો નથી.’ આ કોઈ દિવસ પગ ફાટતો હોય તો કહે, ‘હું શું કરું ?’ પ્રકૃતિ પરાણે કરાવે છે ને કહે છે કે ‘મેં કર્યું !’ અને તેથી તો એ આવતા અવતારનું બીજ નાખે છે. આ તો ઉદયકર્મથી થાય અને એનો ગર્વ લે. આ ઉદયકર્મનો ગર્વ લે, એને સાધુ શી રીતે કહેવાય ? સાધુ મહારાજોની એક ભૂલ કે જે ઉદયકર્મનો ગર્વ લે છે, એ જો ભૂલ થતી હોય અને તેટલી એક જ ભૂલ જો ભાંગે તો તો કામ જ થઈ જાય ! ઉદયકર્મનો ગર્વ મહારાજને છે કે નહીં એટલું જ જોવાનું હોય, બીજું બહારનું કશું જ જોવાનું ના હોય.

કર્મના ઉદયે બંધન, ગર્વરસ ચાખવાથી

આ ઉદયકર્મનો ગર્વ એ શું એવું સમજે એકુંય માણસ ? હિન્દુસ્તાનમાં કયો માણસ સમજી શકે આને ? એ તો અમે ફોડ પાડીએ ત્યારે સમજાય. શાસ્ત્રમાં લખ્યું છે કે કર્મના ઉદયે, પણ કર્મ શું ? એને સમજ્યા વગર કોને કર્મ કહેવા તે ? કર્મના ઉદય તે શું પણ કર્મ તે શું ?

લોક કહે છે, ‘મારા કર્મના ઉદયે મને આમ થાય’ પણ ઉદયકર્મ શું ? અને તું ઉદય શું સમજ્યો છું ? તો કહે, ‘ના સાહેબ, એ તો કંઈ સમજતો નથી. લોક બોલે છે એટલે હુંય બોલું છું.’ સાધુ મહારાજોય એમ કહે છે કે ‘લોક બોલે છે એટલે હું બોલું છું.’ જો કર્મના ઉદયે થતું હોય તો કર્મ ના કરીશ હવે. ત્યારે કહે, ‘કર્મ કર્યા વગર કેમ ચાલે ?’ અલ્યા, કર્મ કરે છે, તે તું નથી કરતો આ. આનો કર્તા તું નથી ! ત્યારે કહે, ‘ના, સાહેબે, એ મને સમજાતું નથી. હું જાતે જ કરું છું ને તમે કહો કે નથી કરતા, બે શી રીતે મનાય ?’ એટલે એને ફોડ પડે તો પડે. નહીં તો સાધુ-મહારાજેય કહે છે, ‘ભઈ, કર્તા તો ખરા. મેં તપ કર્યું, આ બધી સામાયિક મેં કરી.’ ભગવાનને પૂછીએ કે ‘મહારાજ સાહેબે આ શું કર્યું ? આ ચંદુલાલે સામાયિક કર્યું અને આમણે (મહારાજે) કર્યું.’ તો ‘ચંદુલાલ છૂટે છે અને આ મહારાજ બંધાય છે’ કહે છે. મહારાજ સાહેબ પૂછે કે ‘સાહેબ, કેમ હું બંધાઉ છું ?’ ત્યારે કહે, ‘આ તપ, સામાયિક-બામાયિક જે કરો છો, તેનો ગર્વરસ ચાખો છો તમે.’

ગર્વ લેવાથી શું થયું ? કે ગળાં પકડાયા.

(પા.૧૩)

 મોક્ષનું તો ક્યાં ગયું, પણ મોક્ષમાં લાખ અવતાર તેં અંતરાય પાડ્યા. સામાયિકનો ગર્વ કર્યો ! સંસારનો ગર્વ થાય ! કહેશે, ‘અમે ફલાણી જગ્યાએ ગયા.’ ઓહોહો, ત્યાં જવાનોય ગર્વ લીધો ! અને જાણે કશું કમાઈ ગયા ના હોય ! જાણે ચિંતા-ટાઢ ઊડી ગઈ ના હોય ! એ ગર્વ કહેવાય.

ગર્વ ન કરે તો દર્શન ખુલે

આ બધા જીવોને પણ ઉદયકર્મનો ગર્વ ના મટે. કો’કને ગર્વ ઓછો-વત્તો હોય, પણ એનો ગર્વ મટે નહીં.

પ્રશ્નકર્તા : દાદા, દાખલો આપીને સમજાવો. આ કંઇ સમજણ ના પડી.

દાદાશ્રી : ‘હું કરું છું’ એનો ગર્વ રહ્યા જ કરે. ‘હું કરું છું’, ‘આ સામાયિક મેં કરી’ તેનો ગર્વ રહે. આ પ્રતિક્રમણ કર્યું તેનો ગર્વ રહે, આ સ્વાધ્યાય કર્યું તેનો ગર્વ રહે.

ભગવાને શું કહ્યું’તું, કે ‘સાધુ-આચાર્યો ઉદયકર્મનો ગર્વ ન કરે તો અમારું દર્શન પામશે.’ ઉદયકર્મનો ગર્વ કરે અને દર્શન પામે, એ ક્યારેય બને નહીં.

ના પેસાય ત્યાં સુધી સમ્યક્ત્વના કુંડાળામાં

મહારાજ શું કહે ? ‘ત્યાગ કર્યો મેં. બૈરી છોડી, છોકરાં છોડ્યા, ઘર છોડ્યું, કરોડો રૂપિયા છોડ્યા.’ આ બોલે છે ને, તે ઘડીએ ગર્વરસ મળ્યા (ચાખ્યા) કરે.

તે આ ગર્વરસ બહુ મીઠો. બધા ભગવાન કહે છે, ‘ક્યારેય સમ્યક્ત્વના પગલામાં તારાથી આવી શકાશે નહીં, ગર્વરસ ચાખું છું ત્યાં સુધી.’ લાખ અવતાર તપ-ત્યાગ કરે, તોય ગર્વરસ ચાખે છે ત્યાં સુધી સમ્યક્ત્વના કુંડાળામાં પેસી શકાય નહીં. ગર્વરસ સમજ્યા તમે ? શાથી એને ગર્વરસ કહેવાય ? આ ઉદય કરે છે ને પાછો તું કહું છું, ‘મેં કર્યું.’

મટ્યો ઉદયકર્મનો ગર્વ રે

કૃપાળુદેવને ‘હું કરું છું’ એ ભાન ગયું ત્યારે સાચું સમકિત થયું, ત્યારે એમણે શું કહ્યું કે

‘દસ વર્ષે રે ધારા ઉલ્લસી,
        મટ્યો ઉદયકર્મનો ગર્વ રે.
        ધન્ય રે ! દિવસ આ અહો !’

જે દસ વર્ષે ધારા ઉલ્લસી અને ઉદયકર્મનો ગર્વ મટ્યો. કરે છે ઉદયકર્મ અને ‘હું કરું છું’ માને એ ગર્વ અમને છૂટી ગયો, કહે છે. હવે લોકો સમજે જુદું. એ તો બહાર અર્થ જ જુદી જાતનો થાય છે, પણ હું તો મૂળ અર્થને સમજી ગયેલો કે આ શું કહેવા માંગે છે !

પ્રશ્નકર્તા : એનો અર્થ આપ સમજાવોને.

દાદાશ્રી : હા, ‘હું કરું છું’ એનું નામ ઉદયકર્મનો ગર્વ. ‘કોણ કરે છે’ એ વાત જુદી છે પણ ‘હું કરું છું’ એ ગર્વ તો મટી ગયો. એ બહુ મોટામાં મોટું વાક્ય છે. એને જ પહેલું સમકિત કહેવામાં આવ્યું.

ઉદયકર્મથી અસ્તકર્મ સુધી કર્મ કહેવાય. કર્મનો ઉદય થયો ત્યાંથી, પછી અસ્તકર્મ સુધી રહે. હવે ઉદયકર્મ એ પોતાના કર્મનું પરિણામ છે, નવું કર્મ નથી એ. એટલે એનો ગર્વ મટી ગયો. આ કરે છે બીજો ને કહે છે કે ‘હું કરું છું.’ એ ગર્વ અમને મટી ગયો, જે જગત આખાને છે.

આખું જગત ઉદયકર્મના ગર્વવાળું. એમાં એકુંય અપવાદ નહીં. કારણ કે જ્યાં સુધી પોતે ‘સ્વ-સ્વરૂપ’ થાય નહીં ત્યાં સુધી બીજી જગ્યાએ છે ને બીજી જગ્યાએ છે એટલે ગર્વ રહ્યા વગર હોય નહીં.

(પા.૧૪)

‘રોંગ બિલિફ’ ત્યાં સુધી જ ગર્વરસ

પ્રશ્નકર્તા : આપની ‘થીયરી’ પ્રમાણે તો ‘વ્યવસ્થિત’ ચલાવે છે, તોય ગર્વરસ થયા જ કરે ને, એનામાં સ્વસ્વરૂપ થયા પછી પણ ?

દાદાશ્રી : ના, ગર્વ થાય જ નહીં ને ! ગર્વ તો, જ્યાં સુધી ‘હું ચંદુભાઈ છું’ એવું ‘ડિસાઈડ’ થાય ત્યાં સુધી જ ગર્વ છે. ‘રોંગ બિલીફ’ (ખોટી માન્યતા) છે ત્યાં સુધી ગર્વ છે અને ‘રોંગ બિલીફ’ ગઈ એટલે ગર્વ રહેતો જ નથી.

સંયમ સુખ ઉપજતા છૂટે ગર્વરસ

‘હું ચંદુભાઈ નથી, ચંદુભાઈ તો ખાલી ડ્રામેટિક (નાટકીય) છે’ એવું ભાન આવવું જોઈએ. પછી અંદર સંયમ વર્ત્યા કરે અને અંદરનો, આંતરિક સંયમ વર્ત્યો એટલે પછી ગર્વરસ ના ચાખે. સંયમનું સુખ એટલું બધું ઉપજે કે એને ગર્વરસ ચાખવાની જરૂર જ ના પડે. આ તો એને સુખ નથી, તેથી એ ગર્વરસ ચાખે છે. કોઈ પણ જાતનું સુખ ના હોય ત્યારે આવું આ સુખ તો ખરું જ ને !

વાણીની મસ્તીથી ખસે આત્મિક આનંદ

પ્રશ્નકર્તા : દાદા, આપે કહેલું કે વાણીમાં સુખ ના લાગવું જોઈએ. તો વાણીમાં સુખ કેવી રીતે લેવાય, એ જરા દાખલો આપીને સમજાવોને !

દાદાશ્રી : એ બોલતો હોયને, તે બધાને મજા આવતી હોય. એટલે એને પોતાનામાં સુખ વર્તે અને વધુ બોલ બોલ કર્યા કરે. એને કહીએ, હવે બંધ રાખો તોય બોલે, એને સુખ વર્તે છે એટલે. અમને વાણીનું સુખ વર્તે જ હંમેશાં બોલીએ એટલે. પણ તે તો અમે શું કહીએ છીએ વાણીને કે આ તો ટેપરેકર્ડ બોલે છે. એટલે પછી અમે છૂટી જઈએ છીએ. ટેપરેકર્ડ બોલે છે એટલે છૂટું પડી જાય.

પ્રશ્નકર્તા : એટલે એ વાણીનો ગર્વરસ લે ?

દાદાશ્રી : હા, ગર્વરસ. વાણી તો જે બોલેને, તે સામા ખુશ થઈ જાય તે ઘડીએ આને મહીં આનંદ ઉત્પન્ન થાય. એટલે પેલો આત્માનો આનંદ ખસી જાય તે ઘડીએ. આને ચાખવાની ટેવ પડી છે ને આ !

ગર્વરસની ગેલમાં ‘હું’ને ચોંટી પડે

‘આ હું બોલું છું, હું આ કરું છું’ એ તો ખાલી ‘હું’નો વળગાડ છે, ભૂતનો વળગાડ પેઠો એટલું જ છે. ‘તમે સારું બોલ્યા’ એવું સાંભળતાંની સાથે જ ‘હું, હું’ ચોંટી પડે. ‘હું કેવું સરસ બોલ્યો !’ તે સારું બોલે, તેનો જશ ખાય. ત્યારે ખરાબેય બોલતા હશો ને, માટે તમે આને સરસ બોલ્યા કહો છો ને ? તો ખરાબ લાગે તે ઘડીએ કોણ બોલતું હશે ?

આ વકીલોય કોર્ટમાં બોલીને પેલા અસીલને જિતાડે ને પછી પાછા કહે, ‘મેં કેવું પ્લીડિંગ (દલીલબાજી) કર્યું હતું ! તેં સાંભળ્યું હતું ને ?’ ત્યારે પેલો કહેશે, ‘હા, સાહેબ. બહુ સરસ પ્લીડિંગ કર્યું હતું.’ એટલે વકીલેય ગર્વરસ લે. પણ આ ટેપરેકર્ડ બોલે છે, તેમાં શું રોફ મારે છે ?

તે એક વકીલ એના અસીલને કહે છે, ‘મેં તને આજે જિતાડ્યો.’ ત્યારે અસીલ કહે છે, ‘સાહેબ, થેંક્સ (આભાર).’ ત્યારે વકીલ કહે છે, ‘ખાલી થેંક્સ ?’ ત્યારે પેલાએ ત્રણસો રૂપિયા વધારે આપ્યા અને પછી બીજો કેસ હતો ને, તેમાં હારી ગયા. હારીને પાછા આવ્યા ત્યારે પેલા અસીલે કહ્યું કે ‘સાહેબ હવે થેંક્સ આપવાનું કે તમને ?’ ત્યારે વકીલ કહે છે, ‘ના, તું હારી ગયો. તારું નસીબ વાંકું છે.’

લે ! અવળું પ્લીડિંગ થાય ત્યારે આવું કહેશે અને સારું પ્લીડિંગ થાય ત્યારે ‘મેં કર્યું, હું બોલ્યો’ કહેશે. જશ ખાવાની ભાવના ! અપજશના કામી થવું નથી. જશના કામી ! જીતે ત્યારે ગર્વ લઈ લે અને હારે ત્યારે આવું અવળું બોલે.

(પા.૧૫)

જો વિરોધાભાસ વર્તન ! આને જીવન જ કેમ કહેવાય ? અને નસીબ જ હોય તો વકીલ ક્યાં ગયા ? જીતવામાં વકીલ હતા અને હારવામાં વકીલ નહીં ? કે નસીબ ? મોટાં જિતાડનારા આવ્યા ! જિતાડનારા તો ફરી હરાવે નહીં ને ! તો અલ્યા, તું બોલતો હતો કે બીજો કોઈ બોલતો હતો ? અને નસીબને શું કરવા જુએ છે ? આ તો ટેપરેકર્ડ છે, પણ બિચારાને ખબર નથી કે આ જીત્યો હતો તેય ઓરિજિનલ ટેપરેકર્ડથી અને હાર્યો તેય ઓરિજિનલ ટેપરેકર્ડથી.

ગર્વરસની મસ્તીમાં ભાન ભૂલ્યો

અમારે સારી વાણી સાથે લેવાદેવા નથી અને અમારે ખરાબ વાણી સાથેય લેવાદેવા નથી. વાણી સારી નીકળે તોય મારી નહીં ને ખરાબ નીકળે તોય મારી નહીં. અમે તો સારી હોય તોય ‘મારી’ ના કહીએ ને ખરાબ હોય તોય ‘મારી’ ના કહીએ. જે નીકળે એ સાચી, કરેક્ટ ! અમે આનો ગર્વ લઈએ નહીં કે ‘કેવું સારું બોલ્યો’ ને એવું તેવું. કારણ કે મારી વાણી નથી, પછી મારાથી બોલાય જ કેમ કરીને ?

એનું માલિકીપણું નહીં. સાચો જવાબ હોય કે ભૂલવાળો હોય, પણ ટેપરેકર્ડનો. વખાણતો હોય કે ખરાબ કહેતો હોય, તોય ઓરિજિનલ ટેપરેકર્ડનું. તેથી તમે જશ આપો તો એની અમને જરૂર નથી. કારણ કે આ ટેપરેકર્ડ બોલે છે, એમાં અમારે શું લેવાદેવા ? અને અપજશ આપો તોય અમને લેવાદેવા નથી.

અને લોકોને પોતે થોડુંક સારું બોલે ને, પછી ‘કેવું સરસ બોલ્યો બધું !’ એ ગર્વરસ ચાખે. એની મસ્તીમાં જ હોય, બધું ભૂલી ગયો હોય.

‘મેં કર્યું’ એ આપે આધાર ગર્વરસને

આ બધા એને આધાર આપ્યા કરે છે કે ‘આ મેં વ્યાખ્યાન કર્યું હતું, તે કેટલું સુંદર કર્યું હતું !’ એ બધા આધાર આપે !

એને કહીએ કે ફરી તું એ જ વાક્યો બોલી જા, તો એને એકુંય વાક્ય બોલતાં આવડે નહીં. એ ભાષણ કરી રહ્યો હોય પછી એને આપણે કહીએ કે ‘ફરી બોલો જોઈએ.’ તો એ શું કહે ? ‘ના આવડે.’ એના કરતાં સ્કૂલના છોકરાં સારાં કે સાહેબ કહે કે ‘એય ફરી બોલી જા’, તો એ ફરી બોલી જાય. ગોખેલું હોય ને, છોકરાંઓએ તો ! એનો બધાને ગર્વરસ ઉત્પન્ન થાય કે ‘હું કેવું સરસ બોલ્યો !’ પછી અવળું બોલે, ત્યારે ‘હું શું કરું’ કહેશે. એવું ના હોવું જોઈએ. આ વ્યાખ્યાન આપે છે તે કોણ આપે છે ? આત્મા આપે છે ? આત્મામાં વાણી નામનો ગુણ જ નથી. તો તું કેવી રીતે બોલે ? માટે ‘હું વ્યાખ્યાન કરું છું’ એ વાત જૂઠી છે.

ગર્વરસથી ચઢે કેફ

શાસ્ત્રજ્ઞાન તો ઘણા અવતારથી વાંચ વાંચ કર્યા, પણ કશું દહાડો ના વળ્યો. તેથી કૃપાળુદેવે કહ્યું ને, ‘શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી, અનુભવજ્ઞાનથી નિવેડો છે. માટે જ્ઞાની પાસે જા.’ શું કામ પુસ્તકમાં માથાં ફોડ ફોડ કરે છે ને આંખો બગાડે છે ? તે અમથો વગર કામનો ગા ગા કરે છે ! પછી મનમાં કેફ વધ્યા કરે. ‘હું જાણું છું’ એનો કેફ વધે. એ તો મોટો કેફ ! પેલા દારૂડિયાને તો એક ડોલ પાણી રેડીએ ને, તો તરત ઊતરી જાય પણ આમને કેફ ઊતરે નહીં. ઉપરથી ભગવાન આવે તોય કેફ ના ઊતરે. ભગવાનમાંયે કલ્પના કરે ! કારણ કે ‘હું જાણું છું’નો કેફ ચઢ્યો છે ને ! આ લોકોનો ક્યારે પાર આવે ?

એ ગર્વરસ ચાખવાથી જ કેફ ચઢ્યા કરે. પછી બહુ કેફી થઈ જાય. તે કેફ શી રીતે ઊતરે હવે ? મોહનો કેફ જે ચઢેલો, તે શી રીતે ઊતરે ?

અને એની પાછળ જોડે જોડે પાછી માનની ભાવના ! ગર્વરસ તો ચાખવાની ટેવ છે જ ને, કે ગર્વરસ ચાખવાનો છોડી દેતા હશે ? ગર્વરસ છોડે 

(પા.૧૬)

નહીં ને ! એ તો બહુ મીઠો હોય. ‘મેં આમ કર્યું ને તેમ કર્યું’ બોલીને ગર્વરસ ચઢ્યા જ કરે. પોતાનું કરેલું કોઈને કહી બતાવે, તે ઘડીએ એને કેવો આનંદ થાય છે ! બહુ આનંદ થાય છે, નહીં ?

હવે એ ગર્વ અમારી પાસે ના હોય. કોઈ ક્રિયા ‘મેં કરી છે’ એવું અમારામાં ના હોય.

ગર્વરસથી આવતા ભવનાં બીજ થાય ચાર્જ

તમે બોલો છો, વ્યાખ્યાન સાંભળો છો, બધું કરો છો, એ બધામાં ચેતન છે નહીં. વ્યાખ્યાન જે કરે છે, તેમાંય ચેતન નથી અને એમાં આખુંય ચેતન માની બેઠાં છે ! ‘હું જ છું’ અને એને સુધારે છે, એને સ્થિર કરે છે. અલ્યા, ચેતન જ ન્હોય આ તો ! આ તો પાવર ચેતન છે !

તમે જે વર્તો છો તે બે ભાગમાં છેઃ એક તો નિશ્ચેતન ચેતન અને બીજું ચેતન, પણ તમે પોતે નિશ્ચેતન ચેતનને ચેતન માનો છો.

નિશ્ચેતન ચેતન એ મિકેનિકલ ચેતન છે. બહારનો બધો જ ભાગ પણ મિકેનિકલ છે. સ્થૂળ મશીનરીને હેંડલ મારવું પડે છે, જ્યારે સૂક્ષ્મ મશીનરીને તું હેંડલ મારીને જ લાવ્યો છે. અત્યારે ઇંધણ પૂર્યા જ કરે છે પણ હેન્ડલ મારવાનું નથી. સૂક્ષ્મ મશીનરી એ મિકેનિકલ ચેતન છે, પણ ત્યાં ‘મેં કર્યું’ એમ ગર્વ લે છે તેથી ચાર્જ થાય છે અને આવતા ભવનાં બીજ પડે છે.

આખું જગત અચેતનને ચેતન માને છે અને ક્રિયામાં આત્મા માને છે. ક્રિયામાં આત્મા હોય નહીં અને આત્મામાં ક્રિયા હોય નહીં, પણ આવી વાત ક્યારે સમજાય ?

ગર્વરસ એ જ આયોજન

હવે વ્યવસ્થિત કાયદેસર છે પાછું. વ્યવસ્થિત ગપ્પું નથી આ. કાયદેસર એટલે શું ? ગયા અવતારે જે આપણે યોજનાઓ ઘડેલી હોય છે, ઓન પેપર અગર ઓન ફિલમ, ભાવ રૂપે તે યોજનાઓને પાકતાં લગભગ પચ્ચીસ-ત્રીસ વર્ષ, કોઈ ચાલીસ વર્ષે પણ સો વર્ષની અંદર બધી યોજનાઓ પાકી જાય. ત્યાં સુધી એ રૂપક એકદમ ના થાય. એટલે એ પૂર્વભવની યોજના પાકીને આ ભવમાં આપણને ફળ ચાખવા મળે છે.

યોજના એકલી જ ઘડાઈ જાય છે, બીજું કશું આપણાથી થતું નથી. બીજું એની મેળે થયા કરે છે.

પ્રશ્નકર્તા : એટલે એવું પણ બને ને, કે ડૉક્ટરીમાં કંટાળ્યો, પછી યોજના કરે વકીલાતમાં સુખ છે, તો આ ડૉક્ટરી છૂટે ને વકીલાત ગ્રહણ થાય એવું બને ?

દાદાશ્રી : બધું જેટલું જેટલું એણે જેવું ચીતર્યું છે એ ચિતરામણ પ્રમાણે યોજનાબદ્ધ આયોજન કરેલું છે. કોઈ માલિક નથી. મરવાનું-બરવાનું બધું આયોજન પોતે નક્કી કર્યા પ્રમાણે જ આવે છે. ‘દવાખાનું મારે સપનેય જોઈએ જ નહીં’, કહેશે. તો આવેય નહીં સપને, ઘેર દવાઓ ખાયા કરતો હોય. બધો તમારો જ ખેલ છે આ. ‘આવી ફ્રેન્ચકટ જોઈએ’ તે નક્કી કરેલું. પછી આ દાઢી આટલી જ રાખે. આ ડિઝાઈન છે અને ગાંયજા (હજામ) એવું જ કરી આપે. હવે બધા વકીલોને બેસાડીને કહીએ, ‘આ હડતાલ શી રીતે પાડે છે તે કહો’. એ તો ડિઝાઈન છે, એમાં તમે શું કર્યું ? ‘અમે હડતાલ પાડી હતી’ કહેશે. આ પછી પોલીસવાળા પકડવા આવે ત્યારે આમ આમ (આજીજી) કર્યા કરે, છૂટી જવા સારુ. મૂળ વસ્તુ ના સમજેને, ત્યારે અહંકાર કરે ને ગર્વરસ ચાખે.

પ્રશ્નકર્તા : એટલે ગર્વરસ એક પ્રકારના આયોજનનો ભાગ જ ગણાય ?

દાદાશ્રી : નહીં, આયોજન ભાગ નહીં, એ જ આયોજન છે.

(પા.૧૭)

કર્તાપદમાં યોજનાને આધાર અપાય

જેવી આ યોજના ઘડાઈને, તે એ ઘડેલી કહેવાય અને ત્યાં કર્તાપદ નથી હોતું. અહીં આગળ પછી એ કર્તા માને છે. હવે યોજના ઘડેલી એટલે એની મેળે થયા જ કરવાનું છે. એટલે યોજના એકલી જ ઘડાઈ જાય છે, તેય આપણા એકલાથી નહીં પાછી, નૈમિત્તિક રીતે. જો એકલાથી યોજના ઘડાતી હોય તો પોતાની ધારેલી કરે. પણ પાછું નિમિત્ત છે પાછળ એવું જ પછી. એટલે પછી બધા નૈમિત્તિક સંજોગોથી જ બધું ઘડાય. પણ ધારેલું ચાલે નહીં કશુંય. કાર્ય વખતે નિમિત્ત નહીં પોતે ! જ્યારે પુરુષાર્થ (કર્મ ચાર્જ) થાય તે વખતે પોતે નિમિત્ત છે.

પ્રશ્નકર્તા : યોજના વખતે પોતે નિમિત્ત ખરો ?

દાદાશ્રી : યોજના વખતે નિમિત્ત, કાર્ય વખતે નિમિત્ત નહીં. કાર્ય કુદરતી રીતે થયા કરે છે અને તેને પોતે માને છે કે ‘મેં કર્યું.’ તે ગર્વ લેવાથી ગર્વરસનો આનંદ આવે છે, તે સાહેબને એનો નવો આવતો ભવ મળે છે.

કર્તા થવું એટલે શું ? યોજનાને આધાર આપવો. અકર્તા થવું એટલે શું ? યોજનાને નિરાધાર કરી દેવી.

યોજના ઘડતી વખતે બધું ફેરફાર થાય, પણ યોજના રૂપકમાં આવવા માંડી ત્યાં ફેરફાર ના થાય. કારણ કે આ જગત પોતે સૂક્ષ્મમાંથી સ્થૂળ થયેલું છે. એટલે ‘સેકન્ડ સ્ટેજ’માં આવેલું છે, ‘ફર્સ્ટ સ્ટેજ’માં નથી. ‘ફર્સ્ટ સ્ટેજ’માં બદલાય. જે સ્થૂળ છે તે ‘વ્યવસ્થિત’ને તાબે છે, ને એક્ઝેક્ટ (યથાર્થ) છે અને સૂક્ષ્મ છે તે પોતે ઘડે છે.

ગર્વરસનું ફળ આવતો ભવ

પ્રશ્નકર્તા : આમાં બે વસ્તુ બને છે ને ? એક તો આયોજન કરે છે એ પ્રમાણે રૂપક આવે છે અને રૂપકનો ગર્વરસ લે છે, તો આયોજનનું ફળ એને રૂપક આવે છે. પણ રૂપકના ગર્વરસનું ફળ શું આવે છે એને ?

દાદાશ્રી : આવતો ભવ હજુ થાય.

પ્રશ્નકર્તા : પણ એનું આયોજન નથી હોતું ને !

દાદાશ્રી : આયોજન તો પછી એનાથી થઈ જાય મહીં. જેનો ગર્વરસ લે ને એ એને ગમે છે, તે આગળ આવશે.

પ્રશ્નકર્તા : એટલે વધારે મજબૂત થાય.

દાદાશ્રી : એવું જ પાછું ફરી ભેગું થાય. જ્યાં નથી ગમતું ત્યાં ‘નથી ગમતું’ એવો ગર્વરસ કરીને કરે.

સંસારનું બીજ ગર્વ છે, અહંકાર નથી

પ્રશ્નકર્તા : ગર્વ લેવો, એ તો ખોટું જ કહેવાય ને ?

દાદાશ્રી : ગર્વથી સંસાર ઊભો રહ્યો છે. સંસારનું બીજ જ ગર્વ છે, અહંકાર નથી.

પ્રશ્નકર્તા : ગર્વ એ બીજ છે, એ કઈ રીતે ?

દાદાશ્રી : બીજી (વ્યવસ્થિત) શક્તિના આધીન ચાલે છે આ બધું. ઈશ્વરેય નથી કર્તા, નથી તમે આના કર્તા. ‘આના કર્તા તમે છો’ એવું માનો છો, તે જ છે તે બીજ છે આવતા ભવનું ! સમજવું જ પડશેને એક દા’ડો ? જે પોતાનો ગુનો ઈશ્વર પર નહિ નાખી દેતાં પોતાના ઉપર લેશે, તેને કુદરત માફ કરશે. ભગવાન કે જે કંઈ જ કરતાં નથી, તેને ‘ભગવાન કરે છે’ તેમ કહેનારને બહુ મોટી જોખમદારી છે !

અહંકારમાં સ્વાદ હોતો નથી. એટલે અહંકાર બેસ્વાદ છે અને આ ગર્વરસ સ્વાદિષ્ટ છે, બહુ જ 

(પા.૧૮)

સ્વાદિષ્ટ ! માન-અભિમાન એ સ્વાદિષ્ટ ખરું, પણ ગર્વ જેટલું નહીં. ગર્વ જેવી તો કોઈ સ્વાદિષ્ટ વસ્તુ જ નથી. તમે ચાખેલો હશેને થોડો ?

પ્રશ્નકર્તા : ચાખેલો.

દાદાશ્રી : એમ ? મીઠો કેવો લાગે ? તલવારની ધાર ઉપરના મધ જેવો મીઠો લાગે ! ગળ્યું લાગે અને પાછી જીભેય કપાય જરાક. જીભ કપાયને તેની લ્હાય બળે અને પાછું ગળ્યું લાગે. કયું સારું ?

પ્રશ્નકર્તા : એકેય નહીં.

દાદાશ્રી : કેમ ? ગળ્યું નહીં સારું ? ગળ્યું તો બધાય પસંદ કરે.

પ્રશ્નકર્તા : પણ જીભ કપાય પછી.

દાદાશ્રી : એટલે જોડે હોય જ ને, જીભ કપાય તો ખરી જ ને ! કારણ કે આ સંસારના સુખો છે ને, તે ગપ્પા નથી. લોન ઉપર છે, રિપે (પરત) કરવા પડશે. જેટલી વધારે લોન લેશો એટલું વધારે રિપે કરવું પડશે.

ગર્વરસ ચાખવાની ટેવે ઊભો રહ્યો સંસાર

પ્રશ્નકર્તા : સંસારના સુખો ફ્રી ઑફ કોસ્ટ (મફત) ક્યારે મળેલા કહેવાય ?

દાદાશ્રી : સંસારના સુખો જે ડિસ્ચાર્જ જ છે ને, એ ફ્રી ઑફ કોસ્ટ જ છે. પણ ડિસ્ચાર્જમાં ચાર્જ ન થાય તો ફ્રી ઑફ કોસ્ટ છે, નહીં તો ૧૦૦ વાપર્યા અને જોડે જોડે ઈચ્છા થઈ ગઈ તો પાછું ચાર્જ થઈ ગયું. ઈચ્છા ઉત્પન્ન થાય ને એમાંથી તો ? આપણે જ્ઞાન છે તો ઉત્પન્ન ના થાય, નહીં તો ઈચ્છા ઉત્પન્ન થઈ જાયને ?

પ્રશ્નકર્તા : પણ આ તો બધું જન્મથી જ લઈ આવેલા હોય ને ?

દાદાશ્રી : હા, જન્મથી જ લઈ આવેલા છે. પણ એ ભાન નથી રહેતું ને ! અને ગર્વરસ ચાખ્યા જ કરે છે. ગર્વરસ ચાખવાનો ‘એને’ બહુ ગમે છે.

અને ગર્વરસ ચાખવાની ટેવ છે ને, ત્યાં સુધી આ સંસાર ઊભો રહે છે. વાત તો સમજવી પડશે ને ? એમ ને એમ ગપ્પું ચાલે કંઈ ?

ગ્રહણ-ત્યાગના સિદ્ધાંતમાં ના હોય ગર્વરસ

પ્રશ્નકર્તા : આજે સવારે પેલી નવી વાત નીકળેલી. વકીલપણું એકે છોડ્યું કહેશે, તે ગ્રહણ કરેલું એ છૂટ્યું પણ એ વાતમાં એવું નીકળ્યું કે તેં ત્યાગ કર્યો, પણ તું ગ્રહનારો હતો ત્યારે જ તેં ત્યાગ કર્યો. એટલે એ વાત એનાથી આખો બધો ફોડ પડ્યો, પેલો આખો સિદ્ધાંત જ ખુલ્લો થઈ ગયો.

દાદાશ્રી : આખો સિદ્ધાંત ખુલ્લો થઈ ગયો. આજે જ થયો, કોઈ દહાડો નથી થયો.

પ્રશ્નકર્તા : તે ગ્રહણ કરેલું એ મૂકાયું, એમાં ગર્વરસ લેવાનો જ ક્યાં રહ્યો ? બોલવા જેવું શું રહ્યું ? પોતે ગુનેગાર છે, ગ્રહણ કર્યું એ જ.

દાદાશ્રી : હા, લોકોને ગર્વરસની વાત તો જવા દો પણ કહેવા જેવુંય શું રહ્યું ? લીધેલું પાછું મૂકી દીધું એમાં તેં શો ગુનો કર્યો ?

પ્રશ્નકર્તા : લીધું એ જ ગુનો કર્યો હતો.

દાદાશ્રી : હા, લીધું એ ગુનો કર્યો હતો. તે છોડવાનો વખત આવ્યો ને છેવટે. લીધું જ ના હોય તો ભાંજગડ જ નહીંને !

પ્રશ્નકર્તા : હવે દાદા, જેણે ત્યાગ કર્યો હોય એ જે ‘મેં ત્યાગ કર્યો, ત્યાગ કર્યો’ એવું બોલનારને આ વસ્તુની જ્યારે સમજ પડે ત્યારે એમ જ લાગેને કે હું ક્યાં ઊંધા આંકડા આ બધા ગણ્યા કરતો હતો !

દાદાશ્રી : હા, પણ ખરેખર એ એમ માને

(પા.૧૯)

છે કે મેં ત્યાગ કર્યો ! ત્યારે મૂઆ કહે, ત્યાગ શેનો કર્યો ?

હતું તેનો ત્યાગ કરી શકે નહીં કોઈ ! ગ્રહણ કરેલું તેનો જ ત્યાગ કરે છે. હતું તેનો ત્યાગ શી રીતે કરી શકાય ? આત્મા એ હતો જ, એ તેનો ત્યાગ શી રીતે કરી શકે ? આ પછી અત્યારના તેં જે ગ્રહણ કરેલું તેનો જ છે તે ત્યાગ કર્યો. એટલે જ્ઞાન આપતી વખતે નથી કહેતા કે ગ્રહણ-ત્યાગ કરવાનું બંધ થઈ ગયું છે, એનો કડાકૂટો નથી હવે !

જગતમાંથી લીધેલું જગતને પાછું આપી દઈએ

પ્રશ્નકર્તા : આપે કહ્યું જેટલું ગ્રહણ કરે, જેટલું લીધેલું આ જગતમાંથી, એ પાછું આપી દઈએ એટલે કેવળજ્ઞાન.

દાદાશ્રી : એ કેવળજ્ઞાન, બસ !

પ્રશ્નકર્તા : એટલે આ ઉપરથી એક જ વાક્યમાં આખો મૂળ સિદ્ધાંત ઓપન થઈ જાય.

દાદાશ્રી : હા, બધાય ઓપન (ખુલ્લા) થઈ જાય. પણ આ વાત ખરી નીકળી. મનેય અજાયબી લાગી કે ભાઈ, આ વાત કેવી નીકળી છે એમ ! એટલે વાત આમના ઉપર નીકળી ! એમના મનમાં શું લાગે કે વકીલાત છોડી, આ બધું છોડ્યું ! વકીલાત ગ્રહણ કરી તો છોડી, નહીં તો હમણે ડૉક્ટરી ગ્રહણ કરીને વકીલાત કેવી રીતે છોડો ?

આ તમે ગ્રહણ કર્યું તે છોડ્યું ! લોક કહે છે ને, આ અમારા જેવા કહે, ‘ધંધા-બંધા બધું છોડી દીધું.’ તે મૂઆ, ગ્રહણ કર્યા’તા તો છોડ્યા. તે તું આ વાત જ ક્યાં કરે છે ? જોખમદારીમાં આવી જઈશ. કાયદાની કલમ લાગુ થશે, જેમ ચોરી કરનાર માણસ એ ચોરીની વાત જ ઉડાડી દે છે ને ? એવી રીતે આ વાત ઉડાડી દે, મૂઆ ! આ તું બોલીશ જ નહીં. મેરી ભી ચૂપ ને તેરી ભી ચૂપ કહી દઈએ. આ તો ગર્વરસ ચાખવાની ટેવ અને લોકોય સામા, ‘આ બાપજી ! બૈરાં-છોકરાં શી રીતે ત્યાગ થાય ?’ કહેશે એટલે બાપજી ખુશ. એટલે ચાલે પછી ગાડું.

ગર્વરસ ટાળવાનો ઉપાય

પ્રશ્નકર્તા : આ ગર્વરસ ચાખવાની ટેવનું કારણ શું ? એને ટાળવાનો ઉપાય શું ?

દાદાશ્રી : એની પાછળ અહંકાર છે, ‘ઈગોઈઝમ’ છે કે ‘હું કંઈક છું.’

જ્યાં અહંકાર હોય, ત્યાં ગર્વ હોય જ. અહંકાર જ ના હોય તો ગર્વ હોય ક્યાંથી ? એટલે એમને (મહાત્માને) ગર્વ નથી.

એને ટાળવાનો ઉપાય શું ? એ તો બધું તમને આ ‘જ્ઞાન’ પછી ટાળી નાખ્યું છે. હવે જે ‘ડિસ્ચાર્જ’ રૂપે રહ્યું છે તે જ રહ્યું ને ! ‘એનાથી’ ‘આપણે’ છેટા રહેવું.

પ્રશ્નકર્તા : દાદા, એ ‘ડિસ્ચાર્જ’માંય આમ જાગૃત કેવી રીતે રહેવું ?

દાદાશ્રી : જાગૃતિ કોને કહેવાય કે ઊંઘતો નથી, એને જાગૃતિ કહેવાય. જાગૃતિ હોય તો ચોર પેસી ના જાય. આ ‘ચંદુભાઈ’ જે કરે, એ ‘આપણે’ જોયા કરવાનું. ‘ચંદુભાઈ’ ગર્વરસ ચાખે છે તેય જોયા કરવાનું અને સ્વપ્રશંસા સાંભળવામાં ખુશ થાય છે તેય જોયા કરવાનું.

પ્રશ્નકર્તા : પોતે એક સારું કાર્ય કર્યું હોય તો બીજાને કહેય ખરો, દસ જણને કહી આવે કે ‘મેં આવું કર્યું, આવું કર્યું.’ એવુંયે કહેવાઈ જાય, તો શું કરવું ?

દાદાશ્રી : હા, પણ કહે તો જ એને ગર્વરસ થાય ને ! ગર્વરસ એનું નામ કહેવાય કે બીજાને કહે એટલે ગર્વરસ ઉત્પન્ન થાય. ત્યારે એને મજા આવે. અને કોઈ ઊંઘી ગયો હોય ને, તો થોડીવાર પછી એને ઊઠાડીને પણ કહે, ત્યારે જ છોડે !

(પા.૨૦)

ગર્વરસમાં અહંકારને વઢવું

પ્રશ્નકર્તા : ગર્વરસ લેવાઈ જાય તો પછી (ફાઈલ નં. ૧ ને) વઢવું ?

દાદાશ્રી : થોડુંક વઢવું જોઈએ કે કેવા માણસ છો ? શું આમાં મજા કાઢી તમે ?

પ્રશ્નકર્તા : એ વઢવાનું ન્હોતું થતું, દાદા. જાણવાનું થાય. એક બાજુ મીઠાશેય લેવાય અને બીજી બાજુ પાછું ખબરેય પડે, પણ અદબદ રહે, દાદા. વઢવાનું ના થાય. એટલે એ મીઠું લાગે એટલે વઢાય નહીં.

દાદાશ્રી : ના, થોડીવાર પછી વઢવું. અને જ્ઞાન તમારે હાજર રાખવું કે આ જે ભૂલ થતી હતી એ ભૂલ, હવે અહીંથી (એમાંથી) બહાર નીકળવું છે.

આપણે ન્હોય આ ગર્વરસમાં

પ્રશ્નકર્તા : તે ઘણીવાર હું કહું છું કે ‘બેસ ને છાનોમાનો, અક્કલનો કોથળો !’

દાદાશ્રી : હા. ‘અક્કલનો કોથળો’ કહીએ એટલે રાગે પડે. વેચે તો ચાર આનાય ના આવે, એમ કહી દેવું. પહેલાં કહેતા હતા કે અક્કલના બારદાન આવ્યા છે !

હવે એ ગર્વરસ મીઠો આવતો હશે કે કડવો હશે ?

પ્રશ્નકર્તા : મીઠાશ લાગે. પણ એ ગર્વરસ ના લેવાય, એના માટે શું કરવું ?

દાદાશ્રી : કરવાનું કશું નહીં, આપણું જ્ઞાન જાણવાનું. ગર્વરસને ચાખનારા ‘આપણે’ ન્હોય ! ‘આપણે’ કોણ છીએ, એનું લક્ષ રાખવું પડે. એમાં કશું કરવાનું હોતું જ નથી ને !

આપણું ‘જ્ઞાન’ જ એવું છે કે ગર્વરસ ચખાય નહીં અને ચખાય તો તરત પ્રતિક્રમણ કરે. વખતે કંઈક ચોંટ્યું, પહેલાંના અભ્યાસથી વૃત્તિઓ એ બાજુ વળી ગઈ હોય, તો તરત ઉખાડી નાખે. એટલે ગર્વરસ આપણા ‘જ્ઞાન’ લીધેલા ‘મહાત્માઓ’ ચાખે નહીં, બીજા બધા લોકો ગર્વરસ ચાખે. કારણ કે રસ્તો જડ્યો નથી ને !

ડિસ્ચાર્જ પ્રકૃતિમાં ન માણો મીઠાશ

કોઈ પણ પ્રવૃત્તિની પ્રકૃતિ જ ઊભી થયેલી છે. તે પ્રકૃતિ કરાવડાવે ત્યાં સુધી કરવું પણ ઉત્તેજન નહીં આપવું. મહીં રસ ના લેવો. આ હિતકારી પ્રવૃત્તિ નથી. જે કાર્ય કરી શકો ને, તે ડિસ્ચાર્જ થાય છે. જે કાર્ય તમારાથી થઈ રહ્યું છે એ ડિસ્ચાર્જ છે, પણ એમાં તમે જે રસ લો છો તે રસ ના લેશો. આ રસ લેવા જેવી ચીજ ન્હોય. આ તમને ભટકાવીને ફેંકી દેશે. મીઠું લાગે, સ્વાદિષ્ટ લાગે, તે પાડી દે !

આ જે પ્રકૃતિ ઊભી થયેલી છે ને, તે એના કર્તા તમે અત્યારે નથી. આ તો ડિસ્ચાર્જ છે. એટલે અમે વઢીએ નહીં કે આવું થયું તેમાં પણ તમને એન્કરેજ (પ્રોત્સાહિત) પણ ના કરીએ. તમને મનમાં એવું લાગે કે શુંય થઈ ગયું આ ! તો ઊંધું બાફી મારશો ! સમજ્યા વગરનું, કોને કેટલી દવા આપવી એ જાણો નહીં અને ગમે તેને દવા આપી દેશો, એ તમારું કામ નહીં. આ તો બધું પ્રકૃતિ છે, એને ઉદાસીન ભાવે જોયા કરો. બહુ ઇન્ટરેસ્ટ (રસ) ના લેવો. આ પ્રકૃતિથી કોઈને નુકસાન ના થાય એ જોઈ લેવું.

પોતાનું જે કાર્ય હોય એ કરવું. આ તો માથે પડેલી ભરેલી પ્રકૃતિ છે, છૂટકો નથી. ખોળી કાઢશે અવળું અને ત્યાં જઈ આવશે. સ્વાદ પડે, એમાં મીઠાશ લાગે. આ મીઠાશ પાછી પ્રાકૃતિક મીઠાશ, આત્માની મીઠાશ ન્હોય. હજુ બહુ કરવાનું બાકી છે !

પ્રશ્નકર્તા : એનું વિગતવાર જણાવો.

(પા.૨૧)

દાદાશ્રી : આ પાંચ આજ્ઞા જ તમે બધા પાળોને, એમાં જ છે તે ઊંડા ઊતરો. હજી પાંચ આજ્ઞા જ પૂરી પળાતી નથી ને ?

પ્રશ્નકર્તા : બધી ભૂલો થાય તે આપને બતાવવાનું આ જ કારણ છે. અમને પ્રોપર (યોગ્ય) માર્ગદર્શન મળશે જ અહીંયા, એવો અમને દ્રઢ વિશ્વાસ છે. કંઈ પણ નહીં છૂપાવવાનું કારણ જ આ !

દાદાશ્રી : એ તો પછી જ્યારે મીઠાશ લાગે ને, તે છૂપાવતો થાય અમારાથી. બાકી શરૂઆત હોય ત્યાં સુધી અમને પૂછે. પછી બહુ મીઠાશ લાગે એટલે છૂપાવતો થાય. ચેતીને ચાલજો.

મીઠું લાગ્યું ત્યાં પડે માર

પ્રશ્નકર્તા : તો આ બધા દોષો પણ પોતાના દેખાવા જોઈએ ને ?

દાદાશ્રી : દેખાય ને !

પ્રશ્નકર્તા : અહંકાર પણ દેખાવો જોઈએ ને ?

દાદાશ્રી : એય દેખાય છે ને !

પ્રશ્નકર્તા : તો પછી એને પડી જવાનું શું કારણ હોય ?

દાદાશ્રી : એ અહંકાર જ ખોરાક લઈ જાય આ બધો. આ ગર્વરસ કરાવે છેને, તે અહંકાર જ આ બધું કરાવડાવે આપણી પાસે કે ‘આ તો બહુ સારું છે, બહુ સારું છે, લોકોને ગમ્યું.’

પ્રશ્નકર્તા : આ અહંકારનો રસ જે વધારે ચાખી જાય, એને લીધે પાછું આવું પડવાનું થાય ને ?

દાદાશ્રી : હાસ્તો ને ! આ તો બધી મીઠાશ આવે. જેમ આ લોક કહે છેને, ‘આ મેં કર્યું.’ તે કર્યાનો ગર્વ ઉત્પન્ન થાય છે. કમાયો ત્યાં સુધી ગર્વરસ ઉત્પન્ન થાય છે અને ખોટ જાય ત્યારે શું કહે છે ? ‘ભગવાને કર્યું.’ મેર ગાંડિયા, કમાવાનો થયો ત્યારે ‘મેં કર્યું’ કહેતો હતો. આ ગર્વરસ ઉત્પન્ન થાય, તે ઘડીએ મીઠાશ લાગે. જ્યાં મીઠું લાગે ને, ત્યાં જાણવું કે આ માર પડવાનો થયો.

ત્યાં ખૂબ ખૂબ ચેતીને ચાલવું

એટલે પૂર્ણ કામ કરી લેવું હોય તો ચેતતા રહેજો. કોઈ જગ્યાએ વાતચીત બનતાં સુધી કરવી નહીં. એટલે લોકોને આ જ્ઞાન સમજાવવા ના જશો. નહીં તો ઓળનું થઈ જશે ડોળ ! એક શબ્દ વીતરાગની વાણી બોલવી ને, એ તો બહુ મોટામાં મોટી મુશ્કેલી !

લોક તો ચોંટી પડે, લોકને શું ? લોક તો જાણે કે આપણને કંઈક માલ મળશે ! કંઈક મળે એટલા માટે લોક ચોંટી પડે કે ના ચોંટી પડે ? પણ લોકોને કહી દેવું કે ‘મારું આમાં કામ નહીં.’ અક્ષરેય બોલાય નહીં, નહીં તો એમાં પોતાને ઓળનું થઈ જાય ડોળ !

પ્રશ્નકર્તા : પણ જે અનુભવ થયા હોય, એ કહેવાય ને ?

દાદાશ્રી : જ્ઞાનનો અનુભવ હોય નહીં. આ તો વાત બધી નીકળે, એ શબ્દો અમારા કહેલા નીકળે. તે શબ્દો ઊગી નીકળે બધા. બાકી, અનુભવ વસ્તુ તો ધીમે ધીમે થાય.

એટલે આખું વીતરાગ વિજ્ઞાન હાજર થવું જોઈએ. વિજ્ઞાનનો અંશ કોઈને ખબર છે નહીં. આ તો અમારી વાણી પેઠેલી એ નીકળે છે અને કોઈક મોટો તિસમારખાં આવે ને, તો તોડી જ પાડે, ત્રણ જ શબ્દમાં તોડી પાડે. બુદ્ધિગમ્ય ચાલે નહીં ને ! બુદ્ધિગમ્ય તો જગતની પાસે નથી ? અરે, મોટાં મોટાં શાસ્ત્રોના શાસ્ત્રો મુખપાઠવાળા છે ! એ એક શબ્દ બોલે તો ગૂંચાઈ જશો.

આ તો અમારું આપેલું ‘જ્ઞાન’ પરિણામ

(પા.૨૨)

પામ્યું. તે પરિણામ પામીને એને ફરી ઊગે પાછું આ. અમારું આપેલું બીજ રૂપે પડ્યું હોય, તે ફરી ઊગે. ત્યારે ‘દાદાજી એમ કહેતા હતા’ એમ વાત કરો, પણ જે આમ વાણી સ્ફૂરે, તે થોડા દહાડા તો એમ લાગશે કે આ ‘દાદાજી’ જેવું જ બોલી રહ્યા છે. પછી કયે ગામ લઈ જશે ! થોડા દહાડા પછી પછાડે, એ તો છોડે નહીં ને !

માટે જો પૂર્ણ કામ કરવું હોય ને, તો એક જ વાત યાદ રાખવી કે કોઈ પૂછે તો કહીએ, ‘હું ના જાણું, દાદાજી પાસે જાવ.’

ડિસ્ચાર્જ સ્વરૂપે જોવો ગર્વરસને

પ્રશ્નકર્તા : હવે આ ‘ડિસ્ચાર્જ’ સ્વરૂપે જ્યારે હોય, એને સતત જોયા કરે, તો એ જોવાનું કઈ રીતે થાય ?

દાદાશ્રી : આ ‘ફિલ્મ’ ઉતારી હોય ને, એને આપણે જોયા કરીએ ને, તો એમાં શું વપરાય ? આ સ્થૂળ આંખ વપરાય અને અંદરની આંખેય વપરાય છે, બન્ને વપરાય છે. જરૂર હોય તો આ ઉપરનો ભાગ, સ્થૂળ વસ્તુને માટે આ આંખ વપરાય અને સૂક્ષ્મને માટે તો અંદરની આંખથી સમજાય. તે જોયા કરવાનું કે આ પુદ્ગલ શું કરી કહ્યું છે, એટલું જ ! શું કરી રહ્યું છે એટલું જ જાણવાનું.

આમાં વધુ ગર્વરસ ચાખે છે એ બધુંય આપણે જોયા કરવું અને પછી જરા કહેવું યે ખરું, ‘ચંદુભાઈ, શું કરવા હજુ આવું આ ચાખો છો ? જરા પાંસરા ચાલો ને !’ એમ કહેવું, બસ.

ચાખનાર તે ‘હું ન્હોય’

પ્રશ્નકર્તા : આપે એ પણ કીધું કે ગર્વરસ ચાખ્યો, પણ એ જોયો કે આણે ગર્વરસ ચાખ્યો. એટલે એ છૂટું પડી ગયું કહેવાયને ?

દાદાશ્રી : ચાખનાર તે ‘હું ન્હોય’ એવું હોવું જોઈએ. આ ચાખે છે તે ‘હું ન્હોય’ અને જો ‘મેં ચાખ્યો’ એવું કહે તો પછી પોતે જ થઈ ગયો. તેનો ગર્વરસ ચાખે પણ એના મનમાં એમ કે આ હું જ છું. હવે આપણું જ્ઞાન શું કહે છે ? એ ‘આ હું ન્હોય’ એટલું જ કહે. એ સમજીને ત્યાં છૂટું રહેવાનું અને સમભાવે નિકાલ કરવાનો. ‘હું આ ન્હોય’ કરીને સમભાવે નિકાલ કરવાનો.

ઉપયોગ ચૂકાવે એ કચરો

પ્રશ્નકર્તા : દાદા, આપે પરમ દિવસે ટૂંકી ડેફિનેશન (વ્યાખ્યા) આપેલી કે મૂળ ઉપયોગમાં કોઈ પણ વસ્તુ રહેવા ના દે, એ બધો જ કચરો.

દાદાશ્રી : હા, ઉપયોગમાં રહેવા ના દે એ કચરો. એ કચરો ખલાસ થઈ ગયો છે. આપણે તો સાફેય કરવાનું ના હોય, આપણે તો ‘જોવાનું’ ! અગર જે આવે તે ‘મારું સ્વરૂપ નહીં’ કહ્યું એટલે છૂટા. દુઃખ આવે, સુખ આવે, ક્રોધ આવે, બીજું આવે તોય પણ જે આવે તે ‘મારું સ્વરૂપ ન્હોય’ એવી જાગૃતિ રહેવી જોઈએ.

પ્રશ્નકર્તા : તો એ લેપાયમાન ભાવો એ જ બધો પૂંજો ને કચરો ને ?

દાદાશ્રી : ત્યારે બીજું શું ? લેપે એ લેપાયમાન ભાવો અને નિર્લેપ રાખે એ ઉપયોગ. આ તો બે-ત્રણ મિનિટ રહે, એવો ઉપયોગ કાયમ રહે નહીં ને !

ગર્વરસ સામે જુદાપણાની જાગૃતિ

પ્રશ્નકર્તા : જે શુદ્ધ ઉપયોગમાં નથી રહેવા દેતું, એ બધી જ વસ્તુઓ કચરો ?

દાદાશ્રી : હા, એટલે ક્યાં સુધી હું દેખાડ દેખાડ કરું ? હવે તમારે જોવાનું રહ્યું. વાસણો (દુર્ગંધવાળા) સોડે (ગંધાય)ને, તે ઉબાહવાળા (ફૂગ ચઢેલા) સોડે છે. એ સોડે એવા વાસણમાં ખવાય ? 

(પા.૨૩)

એ ત્યાં સુધી શુદ્ધ કરવાનું. એટલે એક ફેરો પૂરું શુદ્ધ કરી નાખો. ક્યાં સુધી હું તમને કહે કહે કરું તે ?

પ્રશ્નકર્તા : નહીં, દાદા. અમે લખી લીધું કે ઘરમાંથી ઝીણવટપૂર્વક બધો કચરો કાઢી નાખવાનો છે.

દાદાશ્રી : આ ઝીણી વાતમાં તમારું મગજ પહોંચે નહીં એવી વાત, સમજો છો ને ? જાણો છો ને આવી ઝીણી વાતોમાં ? એ જ્ઞાનીનું કામ છે ને ! એટલે એ લખી લેવા જેવું. પછી એ તમારું કામ કરશે બધું ! આ વાત ભૂલાય નહીં એમ કહ્યું હતું. લખી લીધું હોય તો પછી રોજ વાંચીએ ને, તો જાગૃતિ રહે કે હવે શું શું રહ્યું ? તપાસ કરો આપણે. તપાસ કરીએ તો જડે પાછું. મહીંથી ભગવાને કહ્યું કે કહી દો બધાને, પછી જવાબદારી ક્યાં સુધી રાખશો ?

હું કંઈ દેખાડવા નહીં આવું, તમારે જ દેખાડવાનું. હવે ફરી કહેવું નહીં પડે ને મારે ? હવે મારે કહેવા આવવું ના પડે. તમારે જ કહેવાનું, ‘ચંદુભાઈ આમ કરો, આમ કરો.’ આ કચરો તમને રેગ્યુલર રહેવા ના દે. એટલે ઘરમાં કચરો છે એટલે ‘આપણે’ ‘એને’ કહી દેવાનું કે ‘ચંદુભાઈ, જુઓ કચરો છે હજુ.’ ત્યારે ચંદુભાઈ કહેશે, ‘તમે શુદ્ધ થયે મને શું ફાયદો ?’ તો કહે, ‘અમે શુદ્ધ થઈએ તો તારું ઠેકાણું પડી જ જશે એ ચોક્કસ, એની ગેરન્ટી.’

પ્રશ્નકર્તા : શુદ્ધ તો આપણે ચંદુભાઈને જ કરવાનો છેને ?

દાદાશ્રી : હંઅ. ‘આપણે’ તો શુદ્ધ છીએ જ, ‘આપણે’ શુદ્ધાત્મા છીએ જ. હવે ચંદુભાઈ શું કહે છે કે ‘હુંય શુદ્ધ થઈ ગયો છું.’ ત્યારે કહે, ‘ના, હજુ તો બહારથી બધું ધોવાઈ ગયું છે, પણ હજુ તો મહીં છે તે બધો કચરો પડ્યો છે. એને વાળી નાખો તો શુદ્ધ થઈ જશો !’ વાસણો ઘસી નાખ્યાં. એ તો જેમ તેમ ઘસ્યા એટલે પછી જરા માટી કોઈ કોઈ દેખાય. ‘એ તો ભીના છે’ કહેશે. ‘ઘસી કાઢો, વધારે ઘસી નાખો.’

એ સમજાયું હું શું કહેવા માંગું છું તે ? એટલે હવે પૂંજો વાળવાનો. એને પેલું એક પૂરું થયું એટલે બીજું દેખાડવાનું. આપણે જેટલું જુદું ‘જોઈએ’ કે આ આણે ગર્વરસ ચાખ્યો, એટલે પુદ્ગલ છૂટું પડી જાય, નહીં તો છૂટા ના થવાય. એટલે ‘જોયું’ એટલે આપણે છૂટાં અને પુદ્ગલેય છૂટું પડી જાય.

રહેવું જ્ઞાતાપદે પૂરણ-ગલનમાં

આ ભરેલો માલ હતો, તે ખરી પડવું એનું નામ પુદ્ગલ. પછી ખરી પડે, એની મેળે જતા રહે. પછી ફરી નામ નહીં દે પાછા.

પૂરણ કર્યું છે તેનું ગલન થાય છે અને ગલન થયું છે તેનું જ પૂરણ થાય છે, તે તું જોજે. પોતે જ્ઞાનાકાર, આત્માકાર છે, તે ક્ષેત્રાકાર શું કામ થાય છે ?

પુદ્ગલ બધું પૂરણ-ગલન થયા કરે છે. એને જોયા જ કરો, એમાં ડખો ના કરો. આ પૂરણ-ગલનને જે જાણી રહ્યો, તે જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદી. તે આત્મા જ પરમાત્મા છે.

પૂરણ-ગલનનો સ્વાદ આપણે ન લઈએ. પૂરણ થાય ત્યારે ગર્વ ન લઈએ ને ગલન થાય ત્યારે હતાશ ન થઈએ.

તારણનો ચોપડો તૈયાર રાખો

જરૂરિયાતની વસ્તુઓ કુદરત તમને સપ્લાય કરે છે (પૂરી પાડે છે) અને પોતે કહે છે કે ‘હું કરું છું.’ બધું તૈયાર હોય એમાં આપણે શું કર્યું કહેવાય ? જે નથી તૈયાર, તેના માટે કરવું એ પુરુષાર્થ કહેવાય.

(પા.૨૪)

કંઇક તારણ તો કાઢવું જોઇશે ને ? તારણનો ચોપડો જોડે રાખવો. શાક લેવા ગયા તે તો ફરજિયાત લાવવું જોઇએ પણ રસ્તામાં ફલાણાભાઇએ જે’ જે’ કર્યા, તે છાતી આમ પહોળી થઇ જાય ! તે ખોટ જ જાયને ? માટે ચોપડો જોઇને તારણ કાઢવું જોઇએ કે ક્યાં ખોટ ગઇ ? લગ્નમાં ગયા ને કોઇએ ‘આવો શેઠ’ કહ્યું કે તેની સાથે જ તમે ટાઇટ થઇ ગયા તો જોનારો સમજી જાય કે શેઠે ખોટ ખાધી ! આમાં સામાની તો ફરજ છે કે તમને ‘આવો’ કહે, પણ તમારે ત્યાં કાચા ના પડવું જોઇએ. એવા પાકા થઇ જાવ કે ક્યાંય ખોટ ના આવે ! એક વખત ખોટ ખાધી, બે વખત ખાધી, વીસ વખત ખોટ ખાધી, પણ છેવટે આપણે તારણ કાઢવું જોઇએ કે આ જે’ જે’ કહે છે તે મને કહે છે કે મહીંવાળાને કહે છે ? ‘મહીં’ ‘ભગવાન’ બેઠા છે, એ ‘શુદ્ધાત્મા’ છે.

વિજ્ઞાન જ છોડાવે ગર્વરસ

સામાને ‘કર્તા છે’ એવું મનાય જ નહીં તમારાથી હવે. ‘હું કર્તા નથી’ એવી રીતે સામો પણ કર્તા નથી, પણ એને કર્તા માનો તો તમે કર્તા જ થઈ ગયા ! બીજાને કર્તા ના દેખે, તો પોતે અકર્તા, સામોય અકર્તા. ‘હું કરું છું, તું કરે છે અને તેઓ કરે છે’ એ ત્રણેય છે તે કર્તાપદ ના હોવું જોઈએ, બધામાંય. ગમે તે (સંજોગોમાં) કોઈ કરતું જ નથી, એવી રીતે દેખાવું જોઈએ.

હવે જેમ છે એમ જાણીએ કે ભઈ, આ કર્તા આપણે નથી ને આ તો ‘વ્યવસ્થિત’ કરે છે ત્યારથી આપણે છૂટા થઈએ. એવું વિજ્ઞાન હોવું જોઈએ આપણી પાસે. પછી રાગ-દ્વેષ જ ના થાય ને ! આપણે હવે છીએ જ નહીં ‘આ’, એવું વિજ્ઞાનથી જણાય. આ હું જે બોલું છું, તે આ મારું વિજ્ઞાન નથી, આ તો વીતરાગ વિજ્ઞાન છે ! ચોવીસ તીર્થંકરોનું વિજ્ઞાન છે ! અને વીતરાગ વિજ્ઞાન સિવાય શી રીતે વાતને પામે માણસ ?

વીતરાગોની આગવી શોધ

આ તો ‘અક્રમ વિજ્ઞાન’થી બધું ખુલ્લું થઈ ગયું છે. ‘મેં’ જે ‘આત્મા’ જોયો છે ને, એ ‘આના’ જેવો જોયો છે; કશું જ કામ ના કરે એવો અને એની હાજરીથી અહીં બધી ક્રિયાઓ ચાલ્યા કરે.

કાર્ય કરનારી શક્તિ બીજી છે. એને શાસ્ત્રકારોએ ‘પરસત્તા’ કહી છે. સ્વસત્તા સેલ્ફ રીયલાઈઝ (આત્મજ્ઞાન) થયા પછી જ આવે, ત્યાં સુધી સ્વસત્તા આવે નહિ. બધું પરસત્તામાં છે. આત્મજ્ઞાન થયા પછી બધું થાય. અનાદિકાળથી આ જ ભ્રાંતિ પેસી ગઈ છે ! તે ભ્રાંતિ કાઢતાંય બહુ ટાઈમ લાગે. કારણ કે એટલું બધું નિકટવર્તી છે આ કે પોતાને ખબર ના પડે. ‘આ હું કરું છું કે બીજો કોઈ કરે છે ?’ એ અત્યંત નિકટવર્તી છે. એટલે આ વીતરાગોનું સાયન્સ છે. બહુ ઊંચી શોધખોળ છે ને ગૂઢાર્થ કેવો ? અત્યંત ગુહ્ય !

અહીં તો પોતાનું મન એટલું મજબૂત કરી લેવાનું છે ને કે આ ભવમાં જે થાય, ભલે દેહ જાય પણ આ ભવમાં કંઈક ‘કામ’ કરી લઉં, એવું નક્કી કરી રાખવું જોઈએ. એટલે એની મેળે કામ થશે જ. આપણે આપણું નક્કી કરી રાખવું જોઈએ. આપણી ઢીલાશ ના રાખવી. આવું પ્રાપ્ત હોય ત્યારે ઢીલાશ ના રાખવી.

જય સચ્ચિદાનંદ