પ્રતિક્રમણની સૈદ્ધાંતિક સમજણ

સંપાદકીય

પ્રત્યેક માનવી પોતાના જીવનકાળ દરમ્યાન સંજોગોના દબાણથી એવી પરિસ્થિતિમાં સપડાય છે કે સંસાર વ્યવહારમાં ભૂલો કરવી નથી છતાં ભૂલો થાય છે પણ એ ભૂલોમાંથી મુક્ત થવાતું નથી. જ્ઞાન પ્રાપ્તિ પછી મહાત્માઓને પોતાના નીકળતા ડિસ્ચાર્જ સામે જાગૃતિ તો ઊભી થાય છે, પણ સાથે સાથે અમુક સમયે આ ડિસ્ચાર્જ મૂંઝાવી દે છે કે જ્ઞાનના આટલા વર્ષો પછી પણ દોષો કેમ નથી અટકતા ? દોષો કેમ ધોવાતા નથી ? કષાય કેમ ઘટતા નથી ?

એવી પરિસ્થિતિમાં દિલના સાચા વ્યક્તિઓને સતત મૂંઝવણ અનુભવાય છે. તેમને ભૂલ ભાંગવા માટે અને આધ્યાત્મિક ઉન્નતિ સાધી શકાય તે અર્થે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન રૂપી હથિયાર તીર્થંકરોએ, જ્ઞાનીઓએ જગતને અર્પ્યું છે.

આપણા નિમિત્તે સામાના અહંકારને જે દુઃખ અપાય છે ત્યાં ખરેખર આપણા જ રિલેટિવ પર ડાઘ પડે છે અને તે રિલેટિવને શુદ્ધ કરવા ખપશે એક માત્ર પ્રતિક્રમણ! ‘‘મોક્ષનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ’’ અને ખરું શૂરાતન આ પ્રતિક્રમણ કરવા અર્થે જ વાપરવાનું છે, જેથી મોક્ષે જલદી પહોંચાય.

પ્રતિક્રમણ એ મોક્ષમાર્ગે એવું શસ્ત્ર છે કે જે સીધું પ્રજ્ઞાશક્તિ ચેતવી ચંદુ પાસે પ્રતિક્રમણ કરાવે છે. આ ભૂલો જે થાય છે, તે તો પરિણામ છે, રિઝલ્ટ છે. પ્રતિક્રમણ દોષોના કોઝીઝને તોડી દોષો નિર્મૂળ કરે છે. મહાવીર ભગવાનનો સિદ્ધાંત છે કે જો ખરા હૃદયથી, હાર્ટીલી ગમે તેવા દોષોના પ્રતિક્રમણ કરાવવામાં આવે તો આ ભવે જ સર્વ વેરથી મુક્ત થવાય અને સાથે સાથે પ્રતિક્રમણની સૈદ્ધાંતિક લિંક લાગે તો આત્માનુભવ પણ દૂર નથી.

પ્રસ્તુત અંકમાં પરમ પૂજ્ય દાદાશ્રી પ્રતિક્રમણની યથાર્થ સૈદ્ધાંતિક સમજણ આપતા કહે છે કે એક અક્રમ વિજ્ઞાન થકી તમારા નિશ્ચયની કાળજી ને પ્રતિક્રમણથી રિલેટીવની કાળજી લેવાશે. આ વિજ્ઞાનથી પૂર્વે ખરડેલા પરમાણુઓને (સામાયિકમાં) જુદા જોવાથી શુદ્ધ થશે અને પ્રતિક્રમણથી કર્મો હલકાં થશે, બોજા ઓછા થશે, પરસ્પર દુઃખો ઓછા થશે.

જ્ઞાની પુરુષ દાદાશ્રી દ્વારા પ્રરૂપાયેલ આ ભાવ પ્રતિક્રમણથી અંતર શાંતિ તો અનુભવાશે ને રાગ-દ્વેષનું ધોરી મૂળ નિર્મૂળ થશે. સ્વરૂપ જ્ઞાન પ્રાપ્તિ પછી ઝડપથી પ્રતિક્રમણની સીડી પકડવી, કારણ કે અક્રમ વિજ્ઞાને આપણને સીધો જંપ કરાવ્યો છે. ‘કે.જી.’થી સીધા બેસાડ્યા પી.એચ.ડી. ક્લાસમાં એટલે વચલા ધોરણોનો સિલેબસ પીકઅપ કરવા મહાત્માઓ હવે સાચા હૃદયથી પ્રતિક્રમણની અદીઠ સીડી પકડે એ જ અભ્યર્થના.

જય સચ્ચિદાનંદ.

પ્રતિક્રમણની સૈદ્ધાંતિક સમજણ

(પા. ૪)

અનુપચારિક વ્યવહારમાં પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : આ ‘જ્ઞાન’ લીધા પછી આપે વ્યવહારને નિકાલી કહ્યો છે, એ વાત બરાબર છે પણ એમાં ક્યાંક અનુપચારિક વ્યવહાર હોય છે. તો ત્યાં આગળ ‘ચાર્જિંગ’નું ભયસ્થાન ક્યાં ?

દાદાશ્રી : ‘ચાર્જ’ થઈ જાય એવા ભયસ્થાનો હોતા જ નથી, પણ શંકા પડે ત્યાં આગળ ‘ચાર્જ’ થઈ જશે. શંકા પડે એટલે એ ભયસ્થાન ‘ચાર્જિંગવાળું’ માનવું. શંકા એટલે, કેવી શંકા ? કે ઊંઘ ના આવે એવી શંકા. નાની અમથી શંકા પડી અને બંધ થઈ જાય એવી નહીં. કારણ કે જે શંકા પડી એ પછી ભૂલી જઈએ, એ શંકાની કિંમત જ નથી.

પ્રશ્નકર્તા : તો પછી બિન્દાસ રહેવાનું ? નીડર ને બેફામ રહેવાનું ?

દાદાશ્રી : ના, બેફામ રહે તો માર પડશે. બેફામ થાય ને નિષ્ફિકરો થાય તો માર પડી જાય. આ દેવતામાં કેમ હાથ નથી ઘાલતા?

પ્રશ્નકર્તા : તો પછી ત્યાં ઔપચારિક ‘એક્શન’ (ક્રિયા) કઈ લેવી જોઈએ?

દાદાશ્રી : બીજું શું ‘એક્શન’માં લેશો ? ત્યાં પસ્તાવો ને પ્રતિક્રમણ એકલી જ ‘એક્શન’ છે.

ચાર્જ બંધ, છતાં ખપે પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : ખાસ મુદ્દો જ આ સમજવો હતો કે મહાત્માઓને જ્ઞાન મળ્યા પછી ‘કર્મ’ ‘ચાર્જ’ થાય કે નહીં ?

દાદાશ્રી : ‘ચાર્જ’ થાય જ કેમ કરીને ? ‘ચાર્જ’ ક્યારે થાય ? ‘વ્યવસ્થિત’ કર્તા છે, ચંદુભાઈ કર્તા નથી તેનો તને વિશ્વાસ બેઠો છે ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : ચંદુભાઈ કર્તા હોય તો ‘ચાર્જ’ થાય. એટલે એ વાક્ય ઊડી ગયું? પણ પ્રતિક્રમણ કરવું સારું. પ્રતિક્રમણ કરવાથી અમારી આજ્ઞા પાળી કહેવાય. અતિક્રમણ થયું માટે પ્રતિક્રમણ કરો.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરીએ તો નવું ‘ચાર્જ’ ન થાય ?

દાદાશ્રી : આત્મા કર્તા થાય તો કર્મ બંધાય.

પ્રશ્નકર્તા : મહાત્માઓના દરેક કર્મ ‘ડિસ્ચાર્જ’ હોય તો પ્રતિક્રમણ કરવાની જરૂર ?

દાદાશ્રી : ‘ડિસ્ચાર્જ’ છે એટલે પ્રતિક્રમણ કરવાની જરૂર નહીં, પણ અતિક્રમણ થયું હોય તો જ પ્રતિક્રમણ કરવાનું. ખાય-પીએ એનું કંઈ પ્રતિક્રમણ કરવાનું નહીં. હું તમને એમ કંઈ પૂછ પૂછ કરું છું કે ‘તમે કેરીઓ ખાધી કે ના ખાધી ? તેં ભજિયાં કેમ ખાધા હતા ? તું હોટેલમાં કેમ ગયો હતો ?’ એવું હું પૂછું છું કંઈ ? આમતેમ કંઈ પૂછ્યું મેં ? ના, કારણ કે હું જાણું છું કે એ બધું ‘ડિસ્ચાર્જ’ છે!

‘ડિસ્ચાર્જ’ ભાવે કોઈને બ્લેઈમ (આક્ષેપ) અપાઈ જાય તો તેનું પ્રતિક્રમણ કરી લેવું.

પ્રશ્નકર્તા : જેને બ્લેઈમ મળ્યો તેણે પણ પ્રતિક્રમણ કરવું ?

દાદાશ્રી : હા, તેણે પણ કરવું કે મારા કયા દોષના ભોગ આ મને આવ્યું ! પણ બ્લેઈમ આપનાર વધારે ગુનેગાર છે.

અપમાન આવે, ત્યાં પણ ખપે પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : સામો માણસ આપણું અપમાન કરે તો પણ આપણે તેનું પ્રતિક્રમણ કરવાનું ?

(પા. ૫)

દાદાશ્રી : અપમાન કરે ત્યારે જ પ્રતિક્રમણ કરવાનું, આપણને એ માન આપે ત્યારે નહીં કરવાનું. પ્રતિક્રમણ કરીએ એટલે સામા પર દ્વેષભાવ તો થાય જ નહીં. ઉપરથી એની પર આપણી સારી અસર થાય. આપણી જોડે દ્વેષભાવ ના થાય એ તો જાણે પહેલું સ્ટેપ, પણ પછી એને ખબર પણ પહોંચે છે.

પ્રશ્નકર્તા : એના આત્માને પહોંચે ખરું ?

દાદાશ્રી : હા, જરૂર પહોંચે. પછી એ આત્મા એના પુદ્ગલને પણ ધકેલે છે કે ‘ભઇ, ફોન આવ્યો તારો.’ આપણું આ પ્રતિક્રમણ છે તે અતિક્રમણ ઉપરનું છે, ક્રમણ ઉપર નથી.

પ્રશ્નકર્તા : ઘણા પ્રતિક્રમણો કરવા પડે ?

દાદાશ્રી : જેટલી સ્પીડ (ઝડપ)માં આપણે મકાન બાંધવું હોય એટલા કડિયા આપણે વધારવાના. એવું છે ને, કે આ બહારના લોકો જોડે પ્રતિક્રમણ નહીં થાય તો ચાલશે, પણ આપણી આજુબાજુના ને નજીકના, ઘરના છે એમના પ્રતિક્રમણ વધારે કરવા. ઘરના માટે મનમાં ભાવ રાખવા કે મારી જોડે જન્મ્યા છે, જોડે રહે છે તે કો’ક દહાડો આ મોક્ષ માર્ગ ઉપર આવે.

જ્ઞાન પછી ‘જોયા’ કરવું

પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધું હોય અને આપણે કોઈને ગાળ ભાંડી, પછી આપણને થાય કે આને બે (ગાળ) આપવી છે. હવે પછી ગાળ આપીએય ખરા. પાછા ‘આપણે’ જોઈએ કે આ ચંદુભાઈને આ આપવાનું મન થયું, પાછી આપી અને તેય પાછા ચંદુભાઈને આપણે જોઈએ, તો એ શું કહેવાય? એ ‘ચાર્જ’ કહેવાય ?

દાદાશ્રી : આ બધું બની ગયું એને ‘તું’ જોયા કરું ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : બસ તો છૂટ્યું, તારે લેવાદેવા નહીં.

પ્રશ્નકર્તા : કોઈએ આપણને ગાળ આપી, ત્યારે આપણને એમ થાય કે આપણે આપવી ના જોઈએ. પણ ચંદુભાઈ એમ કહેતા હોય કે ના, આપવી જ જોઈએ. પછી ચંદુભાઈ જઈને આપી આવે. તોય મહીં એમ થતું હોય કે આ ખોટું કર્યું છે, અને આપણે એમ જોતા હોઈએ પણ ચંદુભાઈને રોકી ના શકીએ.

દાદાશ્રી : તેનો વાંધો નહીં. ‘તારે’ જવાબદારી નહીં, ‘ચંદુભાઈ’ને જવાબદારી ખરી. તે પેલો માણસ ચંદુભાઈને ટૈડકાવે કે કેવા નાલાયક છો, ને શું બોલ બોલ કરો છો ? અગર તો ધોલ મારી દે. જે જોખમદાર છે એને માર ખાવો પડે.

પ્રશ્નકર્તા : એટલે એ ‘ચાર્જ’ કર્યું કહેવાય ?

દાદાશ્રી : ના, ‘ચાર્જ’ તો થાય નહીં.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ કરવું જોઈએ ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરે તો ચોખ્ખી થઈ ગઈ બધી ફાઈલ. જ્ઞાને કરીને ચોખ્ખી કરીને મૂકી દીધી. જેટલા કપડાં ધોઈએ ને, એટલા ચોખ્ખાં કરીને મૂકી દેવા. પછી ઈસ્ત્રીમાં જાય એની મેળે.

સમજો ‘કરવાનું નથી’ એને

પ્રશ્નકર્તા : અમુક વ્યક્તિઓ એવું કહે છે કે ‘આપણને શુદ્ધાત્મા પદ આપ્યું છે. શુદ્ધાત્મા કશું કરતો જ નથી. માટે કશું નડતું જ નથી. કશું કરવાની જરૂર છે જ નહીં. પ્રતિક્રમણ કરવાની જરૂર છે જ નહીં.’

દાદાશ્રી : એવું ખોટું બધું.

પ્રશ્નકર્તા : એટલે હવે એ એક વ્યૂ પોઈન્ટ (દ્રષ્ટિબિંદુ) થયો. બીજા શું કહે છે કે ‘ભઈ,

(પા. ૬)

આપણે અમુક જે કર્મનો ઉદય આવ્યો, એ વખતે પ્રતિક્રમણ કરવાની જરૂર છે.’

દાદાશ્રી : ‘કશું કરવાની જરૂર છે નહીં’ એમ કહે છે તો એને કહીએ, ‘તમે કેમ જમો છો, જો કશું કરવાનું નહીં, કહો છો તો ?’ જમવાનું બંધ કરતા હોય તો કશું કરવાનું રહેતું નથી. પણ જમવાનું બંધ કરે છે કે નહીં ?

પ્રશ્નકર્તા : ના, એ તો ચાલુ છે.

દાદાશ્રી : કશું કરવાનું નથી એનો અર્થ તો એવો કે કશો કર્તાભાવ ના કરે. કરવાથી તો ભમરડા થઈ જાય.

પ્રતિક્રમણેય ડિસ્ચાર્જ

પ્રશ્નકર્તા : આપણને કંઈ અસર જ ના થતી હોય, રાગ-દ્વેષ થતા ના હોય, તો પછી પ્રતિક્રમણની જરૂર ખરી ?

દાદાશ્રી : તને રાગ-દ્વેષ થતા નથી, તો તારે પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. પણ આ ચંદુભાઈને થતા હોય તો ચંદુભાઈને કરવાની જરૂર ખરી ને !

પ્રશ્નકર્તા : ઘણી બધી વાર ‘હું ચંદુભાઈ છું’ એવી જ રીતની વર્તના થયા કરે. ઘણા લાંબા સમય પછી ખ્યાલમાં આવે. ઘણીવાર ખ્યાલમાંય ના આવે તો શું એનું પ્રતિક્રમણ કરવું પડે ?

દાદાશ્રી : જેટલું એવું ખ્યાલમાં રહે, એટલા પ્રતિક્રમણ કરવા પડે.

પ્રશ્નકર્તા : શું કામ કરવા પડે ?

દાદાશ્રી : પ્રતિક્રમણ તો તું ક્યાં કરે છે, એ તો ચંદુભાઈને કરવાના છે.

પ્રશ્નકર્તા : ચંદુભાઈને શું કામ કરવા પડે ?

દાદાશ્રી : કેમ ?

પ્રશ્નકર્તા : બધું ‘ડિસ્ચાર્જ’ ફોર્મમાં છે, તો પછી ?

દાદાશ્રી : કોઈને દુઃખ થતું હોય તો પ્રતિક્રમણ કરવા પડે. તારી ક્રિયાથી કોઈને દુઃખ થતું હોય તો પ્રતિક્રમણ કરવા પડે. દુઃખ ના થતું હોય તો કશું નહીં.

પ્રશ્નકર્તા : પણ આ ચંદુભાઈ છે એ તો ‘ડિસ્ચાર્જ’ જ છે ને, તો પછી પ્રતિક્રમણની શી જરૂર ? એ હજુ મને સમજાતું નથી.

દાદાશ્રી : પ્રતિક્રમણેય ‘ડિસ્ચાર્જ’ છે. જોડે ‘શી જરૂર’ કહે છે, તેય ‘ડિસ્ચાર્જ’ છે.

પ્રશ્નકર્તા : તો પછી મનમાં એમ થાય કે આટલા બધા પ્રતિક્રમણ કોણ કરે? તો એય ‘ડિસ્ચાર્જ’ ?

દાદાશ્રી : એય ‘ડિસ્ચાર્જ’. વાંધો નથી ઉઠાવતા. આપણે બોલીએ અને સામાને દુઃખ થાય એવું થઈ ગયું હોય તો આપણે પ્રતિક્રમણ કરાવવાનું. અને (ચંદુને) કહેવું કે ‘પ્રતિક્રમણ કર. આમ કોઈને દુઃખ થાય એવું ના કરીશ.’

પ્રશ્નકર્તા : ચંદુભાઈ આડા થાય અને કહે, ‘મારે પ્રતિક્રમણ નથી કરવું’ તો ?

દાદાશ્રી : તો વાંધો નહીં. આડા થાય એટલે કહીએ, હમણે ‘સૂઈ જા.’ એ ઘડીવાર પછી સારો થાય, પછી પ્રતિક્રમણ કરાવવાનું. સાંજનું મોટું પ્રતિક્રમણ કરાવવાનું.

પ્રતિક્રમણથી ઓગળે રાગી-દ્વેષી ચીકાશ

પ્રશ્નકર્તા : (આપણે પ્રતિક્રમણ કેમ કરીએ છીએ ?)

દાદાશ્રી : ચોખ્ખું કરવા માટે. ડાઘ પડેલો હોય, તેને તરત ચોખ્ખું કરી નાખીએ છીએ.

(પા. ૭)

નહીં તો ફરી પાછું ધોવા આવવું પડશે. એક ડાઘ પડે એટલે ધોઈ નાખો એને. અતિક્રમણ થયું એટલે ડાઘ પડ્યો. ગમે તે કલરનો ડાઘ પડી ગયો, તેને ધોઈ નાખીને પછી આપણે બેસવું. તે ઘડીએ ચંદુભાઈ આડા થયા હોય તો સાંજે ધોઈ નાખવાનું આખુંય. પાંચ-સાત-દસ અતિક્રમણ થયા હોય તો ભેગા પ્રતિક્રમણ કરી, સ્વચ્છ કરી નાખવાનું.

તમને ખૂબ ‘હાર્ટિલી’ (દિલથી) પસ્તાવો થાય તો એ દોષ ફરી ના થાય. અને ફરી થાય તોય તેનો વાંધો નથી, પણ પસ્તાવો ખૂબ કર્યા કરો. ખરેખર તો ‘હાર્ટિલી’ પસ્તાવો થાય, તેનાથી દોષ અવશ્ય જાય છે !

નિરંતર પ્રતિક્રમણ કરીને રાગ-દ્વેષની ચીકાશને ધોઈ નાખી પાતળી કરી નખાય. સામો વાંકો છે એ આપણી ભૂલ છે, આપણે એ ધોયું નથી અને ધોયું છે તો બરોબર પુરુષાર્થ થયો નથી. નવરા પડીએ ત્યારે ચીકાશવાળા ઋણાનુબંધી હોય તેનું ધો ધો કરવાનું. એવા વધારે હોતા નથી, પાંચ કે દસ જોડે જ ચીકાશવાળા ઋણાનુબંધ હોય છે. તેમનું જ પ્રતિક્રમણ કરી નાખવાનું હોય છે, ચીકાશને જ ધો ધો કરવાની છે. કોણ કોણ લેવાદેવાવાળા છે, તેમને ખોળી કાઢવાના છે. નવો ઊભો થશે તો તરત જ ખબર પડી જશે. પણ જે જૂના છે એને ખોળી કાઢવાના છે. જે જે નજીકના ઋણાનુબંધી હોય, ત્યાં જ ચીકાશ વધારે હોય.

પ્રતિક્રમણનો ધર્મ

તું તારા દોષને ઓળખ અને છુટ્ટો થા. બસ, આટલું જ મુક્તિધામ આપશે તને. આટલું જ કામ કરવાનું કહ્યું છે ભગવાને, અને પ્રતિક્રમણ તે રોકડું-કૅશ પ્રતિક્રમણ કરવાનું કહ્યું. આ તો ઉધાર પ્રતિક્રમણ, બાર મહિને પર્યુષણ આવે તે દહાડે પ્રતિક્રમણ કરે ! ત્યારે ઊલટા મૂર્છિત થઇને નવા કપડાં પહેરીને ફરે. એવા મૂર્છા પરિણામને ભગવાને ‘ધર્મ’ કહ્યો નથી. પ્રતિક્રમણનો ધર્મ જો પકડી લીધો તો તારે માથે ગુરુ નહીં હોય તોય ચાલશે. પ્રતિક્રમણનો ધર્મ એટલે શું ? તમે આમને કહ્યું કે તમે ખરાબ છો. એટલે તમારે પ્રતિક્રમણ કરવું પડે, કે મારાથી નહોતું બોલવું જોઇતું, તે બોલાઇ ગયું. માટે ભગવાનની પાસે આલોચના કરવી. વીતરાગને સંભારીને આલોચના કરવાની કે ‘ભગવાન, મારી ભૂલ થઇ છે. મેં આ ભાઇને આવું કહ્યું, માટે એનો પસ્તાવો કરું છું. હવે ફરી એ નહીં કરું.’ ‘ફરી નહીં કરું’ એને પ્રત્યાખ્યાન કહેવાય છે. ભગવાનનું આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન એટલું જ પકડી લે ને, તેય પાછું રોકડે રોકડું, ઉધાર નામેય ના રહેવા દે, આજના આજ ને કાલના કાલે, જ્યાં કંઇક થાય તો રોકડું આપી દે, તો પૈસાદાર થઇ જાય, જાહોજલાલી ભોગવે અને મોક્ષે જાય !

હવે તમે એમને અવળું કહ્યું તો તમારે પ્રતિક્રમણ કરવું પડે. પણ એમણે પણ તમારું પ્રતિક્રમણ કરવું પડે. એમણે શું પ્રતિક્રમણ કરવું પડે કે ‘મેં ક્યારે ભૂલ કરી હશે કે આમને મને ગાળ દેવાનો પ્રસંગ ઉત્પન્ન થયો ?’ એટલે એમણે એમની ભૂલનું પ્રતિક્રમણ કરવું પડે. એમણે એમના પૂર્વ અવતારનું પ્રતિક્રમણ કરવું પડે ને તમારે તમારા આ અવતારનું પ્રતિક્રમણ કરવું પડે ! આવા પ્રતિક્રમણો દિવસના પાંચસો-પાંચસો કરે તો મોક્ષે જાય!

પ્રતિક્રમણથી ચિત્તશુદ્ધિ

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણની ક્રિયા એ ચિત્તને શુદ્ધ કર્યા કરે છે ?

દાદાશ્રી : ચિત્તને શુદ્ધ કરવા માટે જ પ્રતિક્રમણ કરે છે અને સામા સાથે વેર ના બંધાય એટલા માટે, બેઉ કામ.

(પા. ૮)

પ્રશ્નકર્તા : હમણાં ચિત્ત વિશે ઘણા પ્રતિક્રમણ કર્યાં ને, તો મારા દર્શનમાં આખો ફેર પડી ગયો !

દાદાશ્રી : હા, પ્રતિક્રમણથી બધો ફેર પડી જાય. તેય આપણે જોયા કરવાનું.

પ્રતિક્રમણ દોષોથી છૂટવા માટે

પ્રશ્નકર્તા : આ એકેએક પરમાણુ શુદ્ધ કરવા માટે આપણે જે થાય છે એને જોયે રાખીએ જ્ઞાતા-દ્રષ્ટા તરીકે, તો શુદ્ધ થાયકે પ્રતિક્રમણ કરીએ તો શુદ્ધ થાય ?

દાદાશ્રી : ના, ના, જ્ઞાતા-દ્રષ્ટાથી જ શુદ્ધ થાય. આત્માનું જ્ઞાતા-દ્રષ્ટાપણું ઓછું થતું જાય તેમ શૌર્ય ઓછું થતું જાય, અને જેમ જ્ઞાતા-દ્રષ્ટાપણું વધે તેમ શૌર્ય વધે.

પ્રશ્નકર્તા : તો પ્રતિક્રમણથી શું થાય, પરમાણુ શુદ્ધ ના થાય, દાદા ?

દાદાશ્રી : પ્રતિક્રમણ તો આ (દોષોથી) છૂટવા માટે, પરમાણુ શુદ્ધ ના થાય એનાથી. આપણે આત્માથી જોવાના, આપણા જોતાંની સાથે જ પરમાણુ છૂટા થયા. આ ફરી એને એ થઈ જાય. (પરમાણુ શુદ્ધ થઈ જાય મૂળ સ્વરૂપે.)

પ્રતિક્રમણથી અસરો શુદ્ધ થાય

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણની ઈફેક્ટ (અસર)થી શું થાય ? પ્રતિક્રમણથી પરમાણુ શુદ્ધ ના થાય એ તમે કહ્યું, તો પ્રતિક્રમણથી શું થાય ?

દાદાશ્રી : પરમાણુ તો શુદ્ધ ક્યારે થાય કે ‘જોઈએ’ ત્યારે. અને પ્રતિક્રમણથી પરમાણુમાં શું ઈફેક્ટ થાય કે પેલાને જે દુઃખ થયેલું છે તેની એને અસર રહી જાય, તો એ વેર બાંધે. એ અસર આપણા નિમિત્તે ન રહેવી જોઈએ બનતાં સુધી. તેથી આપણે ચંદુભાઈને કહીએ, ‘પ્રતિક્રમણ કરો.’ એટલે સામાને અસર ના રહે, બસ.

હવે આમને બધાને છે તે શુદ્ધ કરવાની ક્રિયાઓ ના ફાવે એટલે એમને કહીએ કે પ્રતિક્રમણ કરજો, એટલે થઈ ગયું શુદ્ધ. આમને બધું શી રીતે ફાવે ? આ તો સાયન્ટિફિક વિજ્ઞાન છે ! જાગૃતિ એટલી અને તે તમારે નહીં કરવાનું પાછું, ચંદુભાઈને કરવાનું. તમારે જાણવાનું કે ચંદુભાઈએ કર્યું કે ના કર્યું ! અતિક્રમણેય ચંદુભાઈ કરે છે ને ?

પ્રશ્નકર્તા : હા, અતિક્રમણ એ જ કરે છે. એટલે પ્રતિક્રમણ એની પાસેથી જ કરાવવાનું ?

દાદાશ્રી : હા, પ્રતિષ્ઠિત આત્મા અતિક્રમણ કરે છે ને પ્રતિષ્ઠિત આત્માએ પ્રતિક્રમણ કરવાનું પ્રતિક્રમણ ‘તમારે’ કરવાનું નહીં. જે ગુનો કરે એણે. ડિસ્ચાર્જના ગુના અને ડિસ્ચાર્જનું પ્રતિક્રમણ. અતિક્રમણેય ડિસ્ચાર્જનું અને પ્રતિક્રમણેય ડિસ્ચાર્જનું.

પ્રજ્ઞાશક્તિ કરાવે પ્રતિક્રમણ

આ પ્રતિક્રમણ જાતે નથી કરવાનું. આ પ્રતિક્રમણ તમે કોની પાસે કરાવડાવો છો ?

પ્રશ્નકર્તા : ‘ચંદુભાઈ’ પાસે કરાવડાવવાનું. પણ ચંદુભાઈને કહેનારો કોણ છે ?

દાદાશ્રી : આ મહીં જે પ્રજ્ઞાશક્તિ છે, તે પ્રજ્ઞાની શક્તિ જ કામ કર્યા કરે છે.

પ્રશ્નકર્તા : જે સ્વાભાવિક રીતે જઈ રહ્યું છે, તેને પાછો મુકામ આપે છે.

દાદાશ્રી : એનાથી બહુ ઊંડા ઉતરશો તો મહીંથી કાદવ નીકળશે. આ તો ‘સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. (સાંયોગિક પુરાવાઓ)’ ઉનાળામાં સહુ કોઈ કહે કે ઓઢવાનું નહીં જોઈએ. બધાય કહે પણ ‘સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ ઓઢવાનું કરે. ઉનાળામાં મહીં (ટાઢિયો) તાવ ચઢ્યો તો ? ઓઢવાની જરૂર પડે. એટલે આ ‘એવિડન્સ’ છે.

(પા. ૯)

‘એવિડન્સ’ને પેલી રીતે મપાય નહીં કે ઉનાળામાં ના કહેતા હતા, તે કેમ ઓઢવાનું માંગો છો ? અરે ભાઈ, તાવ ચઢ્યો, આપ ને ઓઢવાનું. તું વગર કામનો સમજું નહીં. અને પોતાને કરવાનું નથી આ, પ્રતિક્રમણ ‘પોતે’ ચંદુભાઈ પાસે કરાવડાવે છે. જે અતિક્રમણ ‘પોતે’ કરતો નથી, તો પ્રતિક્રમણ પોતાને શા માટે કરવાનું હોય તે ?

જ્ઞાન આપીએ છીએ ત્યારે બોલીએ છીએ કે તું શુદ્ધાત્મા છે, એક્ઝેક્ટ ? હા. તો આ બાકી શું રહ્યું ? એ તારું ‘વ્યવસ્થિત’. વ્યવસ્થિતનો અર્થ શો ? ચંદુભાઈ શું કરે છે તે જોયા કરવું, તે વ્યવસ્થિતનો અર્થ. ચંદુભાઈએ કો’કનું બે લાખનું નુકસાન કર્યું, તોય એમ આપણે જોયા કરવાનું. પછી ના સમજણ પડે એટલે કહીએ છીએ કે ‘પ્રતિક્રમણ કર.’ ‘વ્યવસ્થિત’ એટલે જે છે તે એક્ઝેક્ટ (જેમ છે તેમ) જોયા કર. એટલે તમે છૂટા.

અક્રમમાં પ્રતિક્રમણ જવાબદારીપૂર્વક

પ્રશ્નકર્તા : એક અવતાર જોયા કરવાનું, તે પ્રતિક્રમણ કરતાં કરતાં જોયા કરવાનું ને ?

દાદાશ્રી : નિરંતર ખ્યાલ રહેવો જોઈએ કે હું કંઈ જ કરતો નથી. નિરંતર ખ્યાલ રહેતો હોય તો પ્રતિક્રમણ ના કરીએ તોય ચાલે. અમને નિરંતર ખ્યાલ રહે. જે અમને રહે છે તે જ તમને કહીએ છીએ. અમને કાયમ રહે છે, જ્ઞાન થયા પછી.

બાકી આ જ્ઞાનમાં તો પ્રતિક્રમણ હોય જ નહીં. આ જ્ઞાન એવું છેલ્લા પ્રકારનું જ્ઞાન છે કે પ્રતિક્રમણ હોય જ નહીં. પણ આ તો જેને ગુજરાતી ચાર ચોપડીઓ આવડે, તેને ગ્રેજ્યુએટ બનાવીએ છીએ, ત્યાર પછી બધા વચલા સ્ટાન્ડર્ડ (ધોરણ)નું શું થાય તે ? એટલે આટલું અમે અમારી જવાબદારીથી મૂકેલું વચ્ચે, નહીં તો આ જ્ઞાનમાં હોય નહીં.

શુદ્ધાત્મા સિવાયનો બધો જ કચરો, એમાંથી એક, ક્રમણ અને બીજું, અતિક્રમણ. શુદ્ધાત્માની બહારનું જે જે છે તે બધા જ દોષ છે ને તેનું પ્રતિક્રમણ કરવું પડે.

એટલે જો દોષ ના થતા હોય, તો પ્રતિક્રમણ કરવાની જરૂર જ નથી. પ્રતિક્રમણ તો તમારે દોષ થઈ જાય તો કરજો. સામો કહે કે ‘સાહેબ, દોષ ના જ થાય એટલી બધી મારી શક્તિ નથી. દોષ તો થઈ જાય છે.’ તો આપણે કહીએ કે ‘શક્તિ ના હોય તો પ્રતિક્રમણ કરજો.’

સમજો સંજોગાધીન જ્ઞાનીના આશયને

પ્રશ્નકર્તા : આપની વાણી નિમિત્ત આધીન ખરીને, એટલે ઘણી વખત પ્રતિક્રમણ કરવાની ‘દાદા’ ના કહે છે, ઘણી વખત પ્રતિક્રમણ કરવાનું કહે છે, તો આ કેવી રીતનું ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરવાની જરૂર નથી એવું અમે ના બોલીએ. અને એ તો કોઈ ફેરો (કોઈ સંજોગોમાં) બોલ્યા હોય તો એનું કોઈ ખાસ એવું મહત્ત્વ નથી હોતું એવા સંજોગ હોય છે. એ તો સંજોગ પ્રમાણે વાણી હોય છે.

પ્રશ્નકર્તા : એટલા માટે આ ‘પઝલ’ ઊભું થયું છે.

દાદાશ્રી : ના, એ પઝલ ઊભું કરવાની જરૂર જ નથી. અને એક જ બાજુ અમારું વાક્ય ના હોય હંમેશાં. બધા સંજોગો પ્રમાણે હોય અને સામાના શું સંજોગ છે એની પર આધાર રાખે.

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : અને કંટાળી જાય એવો કોઈ હોય, તોય એમ કરીનેય પણ એને આગળ લાવીએ અમે. સામો કંટાળી જાય એવો હોય ને ઉપરથી આ (પ્રતિક્રમણનો) બોજો નાખીએ તો ? એટલે

(પા. ૧૦)

એને આપણે કહીએ કે આ કરવાની જરૂર નથી. તું તારું બીજું કર. એમ કરીને અમે આગળ ચલાવીએ. એટલે અમે સંજોગ પ્રમાણે વાણી બોલીએ. પણ મૂળ અભિપ્રાય તો અમારે ‘પ્રતિક્રમણ કરવા જોઈએ’ એ જ હોય.

પ્રશ્નકર્તા : એ પેલાનો ઉલ્લાસ તૂટી ના જાય એટલા માટે ?

દાદાશ્રી : એ તો આટલું કરતા હોય તેમાં પ્રતિક્રમણ આવે ત્યારે એનાથી બોજો સહન ના થાય, એટલે બધુંય નાખી દે. એટલે બધાને જુદું જુદું બોલવું પડે મારે.

એટલે પછી અમે આગળ-પાછળ બોલ્યા હોઈએ કે અમારી વાણી સંજોગોના આધીન હોય છે, સંજોગ પ્રમાણે. એટલે લોકો ઊંધું પકડતા નથી. પણ જેને ઊંધું પકડવું હોય તેને બધું જડી આવે. અને ઊંધું પકડે તેનોય વાંધો નથી. એ ઊંધું પકડે, એના એ જ (ઊંધું) કાઢી નાખે. આ તો વિજ્ઞાન જ એવું છે કે એ જે ઊંધું પકડે ને, એ જ એને ખૂંચે પાછું. એટલે એની આપણે વરીઝ (ચિંતા) નથી રાખવાની.

એટલે આપણે શું કહ્યું કે અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. અને પ્રતિક્રમણ થઈ રહ્યું હોય તો જોયા કરો.

માફી માગનાર પ્રતિષ્ઠિત આત્મા

પ્રશ્નકર્તા : આ જે ક્ષમા માંગે છે, એ પ્રતિષ્ઠિત આત્મા જ ક્ષમા માંગે ને?

દાદાશ્રી : હા, મૂળ આત્માને (માફી) માગવાની જરૂર શી તે ? જે ગુનો કરે તેને માગવાની જરૂર. પ્રતિષ્ઠિત આત્માએ ગુનો કર્યો, માટે પ્રતિષ્ઠિત આત્મા માફી માંગે.

આ અતિક્રમણ તો શું, બીજું બધું જ ચંદુભાઈ કરે છે ! એમાં આત્મા કશું કરતો નથી, એ તો ખાલી પ્રકાશ જ આપે છે.

મહાવીરેય નિહાળ્યું નિજ પુદ્ગલને જ

(આત્મા થયા પછી) હવે શા પ્રકારનો ભય આવે એવું લાગે છે ?

પ્રશ્નકર્તા : મને શું ભય આવવાનો છે ? હવે બધું તમને સોંપ્યા પછી મારે શું કરવું છે એને ?

દાદાશ્રી : પણ તમને ભડકાટ નથી રહેતો ને કોઈ જાતનો? જો આ સોંપેલું હોય તો કિંચિત્માત્ર ભડકાટ ન રહે ને થડકાટ પણ ના રહે એવું સુંદર છે. જેટલું તમને સોંપતાં આવડ્યું એટલું કામનું. આ સોંપીને પછી ટેબલ ઉપર બેસીને નિરાંતે જમો ને ! કોઈ બાપોય વઢનાર નથી. કોઈ ઉપરી છે જ નહીં. ઉપરી હતી તમારી ‘ભૂલો’ અને તમારા ‘બ્લન્ડર્સ’. ‘બ્લન્ડર્સ’ દાદાએ તોડી આપ્યા અને ‘ભૂલો’ આપણે ધોવી પડશે. થોડી ઘણી, પાંચ-દસ ભૂલો કોઈ દા’ડો દેખાય છે ?

પ્રશ્નકર્તા : થોડી થોડી દેખાવા માંડી, પાંચ-પાંચ, દસ-દસ ભૂલો દેખાય છે ને તેને ખમાવું છું.

દાદાશ્રી : ના, એ પ્રતિક્રમણ કરવું પડશે. અત્યારે કોઈ આચાર્ય મહારાજ હોય, તે કહેશે કે ‘તમે આત્મજ્ઞાન લાધ્યા પછી પ્રતિક્રમણ શાનું કરો છો ?’ પણ આ અક્રમ માર્ગ છે એટલે આપણે શું કરવાનું ? પોતાએ નહીં કરવાનું. તમારે ચંદુભાઈને કહેવાનું કે ‘ચંદુભાઈ, તમે આ અતિક્રમણ કર્યું છે, માટે પ્રતિક્રમણ કરો.’ કારણ કે ‘આપણે’ છુટ્ટા થયા પણ આ ‘ચંદુભાઈ’ છુટ્ટા થાય તો ‘આપણે’ છૂટ્ટા થઈએ. આ પરમાણુઓ ચોખ્ખા કરીને મોકલવા પડશે. ‘આપણા’ નિમિત્તે એવું બગડ્યું છે.

પ્રશ્નકર્તા : ચંદુભાઈનો લોચો ઊભો છે હજુ, એને શુદ્ધ કરો.

(પા. ૧૧)

દાદાશ્રી : હા, તે આ દાદાની વિધિ કરે છે, તે આત્મા નથી વિધિ કરતો. આપણે ચંદુભાઈને કહેવાનું કે ‘ભાઈ, દાદાની વિધિ કરી લો. હજુ તો આપણે ચોખ્ખું કરવાનું છે. એટલે આપણે આત્મા તરીકે જાણ્યા કરવાનું કે આજે દાદાની વિધિ કરી, કેવી કરી, કેવી નહીં, એ બધું આપણે જાણ્યા કરવાનું.

નિરંતર જાણવું એ ‘આપણું’ કામ અને નિરંતર કરવું એ ‘ચંદુભાઈનું’ કામ. ‘ચંદુભાઈ’ નોકર અને ‘આપણે’ શેઠ.

પ્રશ્નકર્તા : સારું થયું, હું શેઠ થઈ ગયો. જામ્યું આ તો !

દાદાશ્રી : હા, અને પાછું ‘ચંદુભાઈ’ નોકર એટલે તમારે રોફ રાખવાનો. અને કહેવાનું કે ‘ટેબલ પર બેસીને ચંદુભાઈ જમો. રોફથી જમો. હવે અમે છીએ તમારી સાથે.’ ત્યારે કહે, ‘મહારાજ ના કહેતા’તા ને.’ ત્યારે કહીએ, ‘મહારાજ ના કહે પણ તમે રોફથી જમો. આપણને હવે દાદા મળ્યા છે, ટેબલ તો વાપરો.’ ના હોય તો લાવવું.

જેણે અતિક્રમણ કર્યું તેની પાસે જ પ્રતિક્રમણ કરાવવાનું, ‘આપણે’ નહીં કરવાનું. આપણે જાણનાર, ચંદુભાઈ શું કરે છે, એના તમે જાણનાર પછી વાંધો ખરો ? ભગવાન મહાવીરેય આ જ કરતા હતા. ભગવાન મહાવીર એક પુદ્ગલને જોયા કરતા હતા, નિરંતર. આ બધા લોકોના પુદ્ગલ જોવા ના જાય, એક (પોતાનું) જ પુદ્ગલ જુએ.

પ્રતિક્રમણ ઉપાયે થાય ચોખ્ખું

પ્રશ્નકર્તા : દાદા, એમ થાય કે આ મારું નથી તો પણ ત્યાં પકડાઈ જાય.

દાદાશ્રી : તેનો વાંધો નહીં, તે કોણ પકડાયા ?

પ્રશ્નકર્તા : આપણે જાણીએ છીએ કે આ વસ્તુ ખોટી છે, નહીં કરવી જોઈએ તો પણ થઈ જાય.

દાદાશ્રી : ચંદુભાઈને થઈ કહેવાય ને પણ ! આપણે ક્યાં કરીએ છીએ ?

પ્રશ્નકર્તા : ત્યારે આપણને એમ થાય કે આ ‘ચંદુભાઈ’માં કેટલી નાલાયકી ભરી છે ?

દાદાશ્રી : ‘ચંદુભાઈ’એ કર્યું છે એટલે પકડાઈ જાય. એટલે બળજબરી કરીને ‘પ્રતિક્રમણ કરો’ કહેવું. અતિક્રમણ કેમ કર્યું, માટે પ્રતિક્રમણ કરો. ચંદુભાઈ પકડાઈ જાય, ‘તમે’ તો ના પકડાઓ ને ?

તમારે તો પાડોશી તરીકે ચંદુભાઈને એમ કહેવું, કે ‘‘આવા દોષ કરીને તમે શું છૂટા થવાના ? ‘તમારે’ અમારાથી છૂટા થવાનું છે અને ‘તમારે’ ચોખ્ખા થવાનું છે. માટે તમે છે તે પ્રતિક્રમણ કરો.’’ અતિક્રમણ થાય તો પ્રતિક્રમણ કરવાનું, સારા-સારાનું પ્રતિક્રમણ કરવાનું નહીં.

પ્રતિક્રમણથી પકડો છૂટતી જાય

પ્રશ્નકર્તા : અમુક જે પકડો પકડાયેલી હોય તે આપણે જાણીએ કે એ ખોટી છે, આવું ના હોવું જોઈએ. ઇચ્છા ના હોય છતાં પણ એ પકડ પકડાઈ જાય. પછી પસ્તાવો થાય, પ્રતિક્રમણ થાય પણ તે પકડો કેમ છૂટતી નથી ?

દાદાશ્રી : એ આપણે (પ્રતિક્રમણ કરીને) છોડીએ છીએ ને છૂટી જઈએ છીએ. જો પ્રતિક્રમણ કરીએ તો છૂટી જાય. એના પ્રતિક્રમણ કરીએ તેમ તેમ વેગળી થાય. જેટલા પ્રતિક્રમણ કરીએ એટલી વેગળી થતી જાય.

પ્રશ્નકર્તા : પછી દાદાના ફોટા પાસે આવીને રડુંય ખરી.

દાદાશ્રી : હા, પણ જેટલા પ્રતિક્રમણ કરીએ

(પા. ૧૨)

એટલું છૂટું. એક પ્રતિક્રમણ થયું ને ધક્કો માર્યો. બીજું પ્રતિક્રમણ કર્યું ને ધક્કો માર્યો. એમ જેમ છેટું થઈ જાય તેમ ઓછું થતું જાય. આ બેન હવે ત્રણ મહિનામાં એક વખત જ ઘરમાં ભાંજગડ કરે છે. પહેલાં રોજ બે-ચાર વાર કરતી હતી એટલે નેવું દિવસમાં ત્રણસો સાઈઠ વાર કરતી હતી, તેને બદલે એક જ વાર કરે છે ! એવું તમારેય થઈ જશે. આની જેમ બીજી એક બેન પણ રોજ ઘરમાં વઢંવઢા કરે, ઊંધું-ઊંધું બોલ્યા કરે. એને આ પ્રતિક્રમણ કરવાથી જ એનું છૂટું થવા માંડ્યું. એ રોજ પ્રતિક્રમણ કરે છે.

પ્રતિક્રમણ ઓગાળે ભૌતિક ઈચ્છાઓ

પ્રશ્નકર્તા : આ સંસારની એક પણ ચીજ ભોગવવી નથી એવો નિશ્ચય છે, પણ જ્યારે અંદરથી અમુક એવી ઇચ્છા નીકળે છે તો એ પ્રમાણે વર્તાઈ જવાય છે, તો શું કરવું ?

દાદાશ્રી : તો એનું પ્રતિક્રમણ કરવું. માફી માંગવી કે નવી ઇચ્છાઓ ન હોવા છતાં આ ગુનો કર્યો તે બદલ ક્ષમા માગું છું. ફરી ન કરું, માટે માફ કરજો.

‘આ જગતમાં કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી’ એવું તમે નક્કી કર્યું છે ને ? છતાં કેમ યાદ આવે છે ? માટે પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણ કરતાં ફરી પાછું યાદ આવે ત્યારે આપણે જાણવું કે આ હજુ ફરિયાદ છે ! માટે ફરી આ પ્રતિક્રમણ જ કરવાનું.

પ્રશ્નકર્તા : એ તો દાદા, જ્યાં સુધી એનું બાકી હોય ત્યાં સુધી પ્રતિક્રમણ થયા જ કરે છે, એને બોલાવવું નથી પડતું.

દાદાશ્રી : હા, બોલાવવું ના પડે. આપણે નક્કી કર્યું હોય એટલે એની મેળે થયા જ કરે.‘ચંદુભાઈ’ શું કરે છે, જે જે કરે છે તેને ‘આપણે’ ‘જોયા’ કરવું, એનું નામ પુરુષાર્થ. ‘જોવા’નું ચૂક્યા તે પ્રમાદ.

પ્રશ્નકર્તા : ‘જોયા’ કરવાનું એ શુદ્ધાત્માનું કામ ?

દાદાશ્રી : સ્વરૂપનું જ્ઞાન થયા પછી એ કામ થાય, તે સિવાય ના થાય.

યાદ કેમ આવ્યું ? કારણ વગર યાદ આવે નહીં, કંઈ પણ એની ફરિયાદ હોય તો જ આવે.જે યાદ આવ્યું તેનું બેઠાં બેઠાં ‘પ્રતિક્રમણ’ કરવાનું, બીજું કંઈ જ કરવાનું નથી. જે રસ્તે અમે છૂટ્યા છીએ, તે રસ્તો તમને બતાડી દીધો છે. અત્યંત સહેલા ને સરળ રસ્તો છે, નહીં તો આ સંસારથી છૂટાય નહીં. અમને કેમ કશું યાદ નથી આવતું ? માટે જે જે સાંભરે, એના પ્રતિક્રમણ કર કર કરવાના. માફી માંગવી, કે નવી ઇચ્છાઓ ન હોવા છતાં આ ગુનો કર્યો તે બદલ ક્ષમા માગું છું.

પ્રતિક્રમણ એ છે પૌદ્ગલિક પણ પુરુષાર્થ

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણને પૌદ્ગલિક કહ્યું, તો તે ‘વ્યવસ્થિત’ને આધીન થયું ને?

દાદાશ્રી : ના. પ્રતિક્રમણ એ આત્મા નથી, એ પૌદ્ગલિક છે. પણ એ પુરુષાર્થ છે, જાગૃતિને આધીન છે. જાગૃતિ એ જ પુરુષાર્થ છે. જાગૃતિ રહી પછી કરવું ના પડે, થયા કરે.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણમાં એવું કરું છું કે અનંતા ભવોના પુદ્ગલના પર્યાયો કર્યા હોય, અંતરાય કર્યા હોય, તેનું પ્રતિક્રમણ કરું છું.

દાદાશ્રી : આપણે તો દોષોનું પ્રતિક્રમણ કરીએ છીએ, એમાં પુદ્ગલ પર્યાયો આવી જ જાય છે.

પ્રશ્નકર્તા : પુદ્ગલનું જે થયા કરે છે તે

(પા. ૧૩)

વ્યવસ્થિતના ધોરણે થયા કરે છે, પણ તે અતિક્રમણ કેવી રીતે કરી શકે ?

દાદાશ્રી : ક્રમણ કરી શકે અને અતિક્રમણ પણ કરી શકે. બધું એ જ કરે છે ને ત્યારે ?

પ્રશ્નકર્તા : એ પુદ્ગલમાં આત્માનું ચેતન ભળે તો જ થાય ને?

દાદાશ્રી : એનું નામ જ પુદ્ગલ કહેવાય. આ જે પુદ્ગલ પરમાણુ છે, એ તો આપણે એને પુદ્ગલ કહીએ છીએ, એટલું જ છે, એ પુદ્ગલને તો ભગવાને ‘મિશ્રચેતન’ કહ્યું છે. પુદ્ગલ પરમાણુ એટલે શું ? મિશ્રચેતન, ચૈતન્યભાવથી ભરેલું. તેનું પૂરણ થવું પછી એ બીજા અવતારમાં ગલન થાય છે. પાછું ‘ચાર્જ’ થાય છે. પૂરણથી ‘ચાર્જ’ થાય છે ને ‘ડિસ્ચાર્જ’થી ગલન થાય છે અને અતિક્રમણ એ ગલન છે. જ્ઞાન પછી પણ એ અતિક્રમણ આત્મા થકી થયું હોય તો પૂરણ છે. કર્તાભાવે થયું હોય તો પૂરણ છે, કર્તાપદ વગર થયું હોય તો ગલન છે.

પ્રશ્નકર્તા : આ ચંદુભાઈ કરે તો એને તો રાગાદિ કશું હોય નહીં, તો પછી એને અતિક્રમણ શું ને પ્રતિક્રમણ શું ?

દાદાશ્રી : રાગ-દ્વેષ બધું ચંદુભાઈ (બાવા)ને જ છે.

માફી કોણ કોની માગે ?

પ્રશ્નકર્તા : આપ કહો છો, તમે શુદ્ધાત્મા છો, એટલે તમારે પ્રતિક્રમણ નહીં કરવાનું. જેણે અતિક્રમણ કર્યું એણે. એ પણ શુદ્ધાત્મા પર નથી કર્યું, એ સામાના પુદ્ગલ માટે થાય છે, તો પ્રતિક્રમણમાં જે માફી માગીએ આપણે, એ સામાના શુદ્ધાત્માની માફી માગવાની કે એના પુદ્ગલની માફી માગવાની ?

દાદાશ્રી : શુદ્ધાત્માની માફી માગવાની. તે માફી માગનાર કોણ પાછો ? પુદ્ગલ. અને તે સામાના શુદ્ધાત્માની પાસે માફી માગવાની છે. હે શુદ્ધાત્મા ભગવાન ! તમારી સાક્ષીએ માફી માગું છું.

પ્રશ્નકર્તા : દાદા, પણ આપણે બોલીએ છીએ કે ‘મન-વચન-કાયાથી તદ્દન ભિન્ન એવા શુદ્ધાત્મા !’ તો પછી કેમ પુદ્ગલનું કહેવાય?

દાદાશ્રી : એ તો શુદ્ધાત્મા પાસે માફી માગું કે મારાથી આ ભૂલ થઈ, એની માફી માગું છું.

પ્રશ્નકર્તા : પણ માફી શુદ્ધાત્મા પાસે માગવાની અને પ્રતિક્રમણ પુદ્ગલનું કરવાનું ?

દાદાશ્રી : નહીં, પ્રતિક્રમણ ને માફી એક જ વસ્તુ છે. એના શુદ્ધાત્મા પાસે માફી માગવાની કે આ તમારા પ્રતિષ્ઠિત આત્મા જોડે મારે જે ભૂલ થઈ છે, તેની માફી માગું છું.

પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ બીજાને માટે નહીં પણ પોતાને અંગે પણ થઈ શકે ?

દાદાશ્રી : પોતાનું તો આપણા શુદ્ધાત્મા જોડે કરવાનું. આપણે શું કહેવાનું કે ‘હે ચંદુભાઈ, પ્રતિક્રમણ કરો. ભઈ, તમે કેમ આવી ભૂલો કરો છો ?’

આ ખોખું છે એ આત્માના પ્રતિબિંબ જેવું થઈ જવું જોઈએ. તે આ ખોખુંય ભગવાન જેવું બનાવવાનું છે. તેથી પ્રતિક્રમણ કરવાનું ને!

રિલેટીવ કપડું ચોખ્ખું રાખવું

પ્રશ્નકર્તા : એ જે મહીં ચંદુભાઈને કહે કે ‘આ તમે ભૂલ કરી છે, માટે આ પ્રતિક્રમણ કરો’ તો એ કહેનાર કોણ ?

દાદાશ્રી : એ આપણી પ્રજ્ઞા નામની જે શક્તિ છે ને, તે ચેતવે છે કે તમે આ પ્રતિક્રમણ કરો. એ ‘રીયલ’માંથી ઉત્પન્ન થનારી શક્તિ છે. બે જાતની

(પા. ૧૪)

શક્તિઓ છે; રીયલમાંથી ઉત્પન્ન થનારી શક્તિ એ પ્રજ્ઞા અને રિલેટિવમાંથી ઉત્પન્ન થનારી શક્તિ એ અજ્ઞા કહેવાય. અજ્ઞા હોય તે સંસારની બહાર નીકળવા જ ના દે અને પ્રજ્ઞા તો મોક્ષે લઈ જતા સુધી છોડે જ નહીં. જે ટાઈમે અહીંથી દેહ છૂટ્યો ને મોક્ષની તૈયારી થઈ, એ ટાઈમે પ્રજ્ઞા આત્મામાં સમાવેશ થઈ જાય, એ કંઈ જુદી શક્તિ નથી.

પ્રશ્નકર્તા : એટલે અહંકાર ‘રિલેટિવ’માં જ આવે ને ?

દાદાશ્રી : એ બધું રિલેટિવમાં જ જાય.

પ્રશ્નકર્તા : દાદા, રીયલ અને રિલેટિવ બે જુદા છે, તો પછી આપણે શું કરવા વચ્ચે ભેગા થવાની જરૂર આવી ? પ્રતિક્રમણ કરવાની શી જરૂર ? રિલેટિવમાં આપણે પડવાની શી જરૂર ?

દાદાશ્રી : ‘રિલેટિવમાં’ પડવાની જરૂર નથી, પણ સામાને દુઃખ થયું તે ‘આપણે’ ચંદુભાઈને કહેવું જોઈએ કે ‘ભઈ, આને દુઃખ કેમ કર્યું ? માટે તમે પ્રતિક્રમણ કરો.’ બસ, એટલે ડાઘ પડ્યો કે ધોઈ નાખીએ. આપણે ‘રિલેટિવ’ કપડું (ફાઈલ નં.૧) પણ ચોખ્ખું રાખવાનું.

પ્રશ્નકર્તા : દાદા, આ દુઃખ પહોંચાડે છે, તે ‘રીયલ’ પહોંચાડે છે?

દાદાશ્રી : ‘રીયલ’ તો કશું કરતું જ નથી. બધું ‘રિલેટિવમાં’ જ છે અને દુઃખેય ‘રિલેટિવ’ને પહોંચે છે, ‘રીયલ’ને પહોંચતું જ નથી.

અતિક્રમણના ડાઘ ધોવાય પ્રતિક્રમણથી

પ્રશ્નકર્તા : દુઃખ થાય છે એ સામાના અહંકારને થાય છે ?

દાદાશ્રી : હા, અહંકારને દુઃખ થાય છે.

પ્રશ્નકર્તા : તો પ્રતિક્રમણની શી જરૂર છે ? રિલેટિવમાં ફરી પડવાની શી જરૂર છે ?

દાદાશ્રી : પણ પેલાને દુઃખ થયું, એનો ડાઘ આપણા રિલેટિવ ઉપર રહ્યો ને ! એ રિલેટિવ ડાઘવાળું નથી રાખવાનું. છેવટે ચોખ્ખું કરવું પડશે. આ કપડું ચોખ્ખું મૂકવાનું છે. ક્રમણનો વાંધો નથી. ક્રમણ એટલે એમ ને એમ મેલું થાય તેનો વાંધો નથી. રીતસર મેલું થાય તેનો વાંધો નહીં, પણ એકદમ ડાઘ પડ્યો હોય, એ તો ધોઈ નાખવો.

પ્રશ્નકર્તા : એટલે ‘રિલેટિવ’ ચોખ્ખું રાખવું જરૂરી છે ?

દાદાશ્રી : એવું નથી. ‘રિલેટિવ’ જૂનું થશે, કપડું જૂનું થાય તેનો વાંધો નથી, ક્રમણથી. પણ અતિક્રમણથી એકદમ ડાઘ પડ્યો હોય તો આપણા વિરુદ્ધ કહેવાય. એટલે એ ડાઘ ધોઈ નાખવો જોઈએ. એટલે આવું અતિક્રમણ થયું હોય તો પ્રતિક્રમણ કરો. અને તે કો’ક વખત થાય છે, રોજ થતું નથી પ્રતિક્રમણ ન થયું હોય તો બહુ મોટો ગુનો નથી આવતો કંઈ, પણ પ્રતિક્રમણ કરવું એ સારું છે.

પ્રશ્નકર્તા : આ અતિક્રમણ કરવાની સત્તા આપણા હાથમાં નથી, તો આ પ્રતિક્રમણ કરવાની આપણા હાથમાં કેવી રીતે હોય ?

દાદાશ્રી : અતિક્રમણની સત્તા નથી. પણ પ્રતિક્રમણ તો આ મહીં ચેતવણી આપે છે. મહીં જે ચેતન છે ને, પ્રજ્ઞાશક્તિ, તે ચેતવે.

સ્થૂળ અને સૂક્ષ્મમાં પ્રતિક્રમણ

પ્રશ્નકર્તા : તો પછી પ્રતિક્રમણ કોણ કરે ?

દાદાશ્રી : જે અતિક્રમણ કરે છે તેની પાસે જ પ્રતિક્રમણ કરાવવામાં આવે છે.

પ્રશ્નકર્તા : અહીંયાં મને સ્થૂળ વાત કહો ને, કે આ પ્રતિક્રમણ શરીર કરે ને? હું નગીનભાઈને જઈને કહું કે ‘મેં તમને કાલે દુઃખ આપેલું, મને

(પા. ૧૫)

માફ કરો.’ એ પ્રતિક્રમણ શરીર જઈને કહે, એટલે આ સ્થૂળ વસ્તુ થઈ, તો એમાં સૂક્ષ્મ વસ્તુ કંઈ છે ?

દાદાશ્રી : કેમ ? અંદર જે પ્રતિક્રમણ કરવાનો ભાવ થયો તે સૂક્ષ્મ છે અને આ બહાર જે થયું એ સ્થૂળ છે. આ સ્થૂળ ના થયું હોય તોય ચાલે. એટલે સૂક્ષ્મ કરે તો બહુ થઈ ગયું. અને જેણે અતિક્રમણ કર્યું તેની પાસે જ પ્રતિક્રમણ કરાવડાવીએ, કે ‘ભઈ, તું કર. તે અતિક્રમણ કર્યું માટે તું પ્રતિક્રમણ કર. તું પ્રતિક્રમણ કર ને શુદ્ધ થઈ જા.’ એટલે આ અતિક્રમણવાળાને ભાંગી નખાવડાવાનું કે ભાઈ, હવે શું કામ આમ કરો છો ? પ્રતિક્રમણ જેવો કોઈ રસ્તો નથી.

જો ‘સાયન્ટિફિક’ રીતે જ્ઞાન રહેતું હોય તો મૌન રહો તોય વાંધો નથી. પણ ‘સાયન્ટિફિક’ રીતે આપણા લોકોને રહેતું નથી એટલે તમારે આવું કંઈક બોલવું જોઈએ. કારણ કે એ બોલે છે તે શુદ્ધાત્મા નથી બોલતો, એ છે તે પ્રજ્ઞા નામની શક્તિ બોલે છે. એટલે શુદ્ધાત્માને બોલવાનું હોય જ નહીં ને ! એટલે પ્રજ્ઞા નામની શક્તિ કહે કે ‘આવું કેમ કરો છો ? આવું ના હોવું જોઈએ.’ આટલું કહે તો બસ થઈ ગયું. અગર તો કો’કને ખરાબ લાગે એવું વર્તન થયું તો પ્રજ્ઞા નામની શક્તિ ચંદુભાઈને કહે કે ‘તમે પ્રતિક્રમણ કરો અને પ્રત્યાખ્યાન કરો.’ બસ એટલું જ, આમાં છે કાંઈ અઘરું કશું ?

આજ્ઞાપાલને ના થાય તન્મયાકાર પરભાવમાં

પ્રશ્નકર્તા : વ્યવહારમાં જો અતિક્રમણ થઈ જાય, તો તુરંત પ્રતિક્રમણ કરી નાખવાનું આપે સૂચન કર્યું છે, પણ જો નિજસ્વભાવમાંથી પરભાવ કે પરદ્રવ્યમાં ખેંચાઈ જવાય કે તેમાં તન્મયાકાર થઈ જવાય તો શું કરવું ? પરભાવમાં તન્મયાકાર થવું એ શુદ્ધાત્માનું અતિક્રમણ કર્યું કહેવાય ?

દાદાશ્રી : આપણે પ્રતિક્રમણ કરવું. પછી શું લખે છે કે ‘નિજસ્વભાવમાંથી પરભાવમાં જવાનું.’ હવે અમારી આજ્ઞા પાળે તે માણસ પરભાવમાં જઈ શકે નહીં અને જવું હોય તોય નહીં જવાય. માટે આજ્ઞા પાળવાની શરૂ કરી દો, એટલે પરભાવમાં જવાય જ નહીં. પરદ્રવ્યમાં ખેંચાય જ નહીં. એટલે કોઈ ગભરાશો નહીં. એમાં તન્મયાકાર થાય તો એ પરભાવમાં કે પરદ્રવ્યમાં નથી. જો આજ્ઞા પાળે તો આ નથી અને આ છે તો આજ્ઞા પાળી શકાય નહીં, એટલું બધું વૈજ્ઞાનિક છે આ તો.

પ્રશ્નકર્તા : તન્મયાકાર થઈ જઈએ એટલે જાગૃતિપૂર્વક પૂરેપૂરો નિકાલ ના થાય. હવે તન્મયાકાર થઈ ગયા પછી ખ્યાલ આવે તો પછી એનું પ્રતિક્રમણ કરીને નિકાલ કરી નાખવાનો રસ્તો ખરો ?

દાદાશ્રી : પ્રતિક્રમણ કરે તો હલકા થઈ જાય. ફરીવાર હલકા થઈને આવે. અને પ્રતિક્રમણ ના કરે તો એનો એ બોજો પાછો આવે. ફરી છટકી જાય પાછું, ચાર્જ થયા વગરનું એટલે પ્રતિક્રમણથી હલકા કરી કરી પછી નિકાલ થયા કરશે.

પ્રશ્નકર્તા : તમે કહો છો કે અતિક્રમણ ન્યૂટ્રલ છે, તો પછી પ્રતિક્રમણ કરવાનું જ ક્યાં રહ્યું ?

દાદાશ્રી : અતિક્રમણ ન્યૂટ્રલ જ છે, પણ તેમાં (અજ્ઞાન દશામાં પોતે ચંદુ થઈને) તન્મયાકાર થાય છે એટલે બીજ પડે છે. પણ (જ્ઞાન પછી) અતિક્રમણમાં (પોતે) તન્મયાકાર ના થાય તો બીજ પડતું નથી. અતિક્રમણ (પોતાને) કશું જ કરી શકે નહીં. પ્રતિક્રમણ તો આપણે તન્મયાકાર ના થઈએ તોય પણ (ચંદુભાઈ) કરે. ચંદુભાઈ તન્મયાકાર થઈ ગયા, તેનેય તમે જાણો ને નથી થયા તેનેય તમે જાણો. તમે તન્મયાકાર થતા જ નથી, તન્મયાકાર મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર થાય છે. તેને તમે જાણો છો. તન્મયાકાર ચંદુભાઈ થાય છે, તમે તો એ જાણનાર છો.

(પા. ૧૬)

પ્રતિક્રમણ કૉઝીઝને નિર્મૂળ કરે

પ્રશ્નકર્તા : આપણે કંઈ ભૂલ કરી હોય અને પછી આપણને ખબર પડે, એટલે આપણે એનું પ્રતિક્રમણ કરીએ. તો આ પ્રતિક્રમણ કરવાથી કઈ રીતે આપણે દોષમુક્ત થઈ જઈએ છીએ ?

દાદાશ્રી : આ ભૂલ થાય છે તે તો પરિણામ છે, ‘રિઝલ્ટ’ છે. અને દોષના કારણ કયા હતા ? એ કારણો ખરાબ હતા, એટલે અમેય પ્રતિક્રમણ કરીએ છીએ. એ પરિણામ માટે નહીં, પરિણામ તો એનું ગમે તે આવે. એટલે આપણે બધા દોષોના કૉઝને ખલાસ કરીએ છીએ.

પ્રશ્નકર્તા : એટલે આ કૉઝિઝનું પ્રતિક્રમણ છે ?

દાદાશ્રી : હા, આ પ્રતિક્રમણ કૉઝિઝને મારે છે, રિઝલ્ટને નથી મારતું. આ સમજમાં આવી ગયું ને ?

કો’કને આપણે નુકસાન કર્યું, પછી આપણે પ્રતિક્રમણ કરીએ, તે હવે નુકસાન થયું એ તો જાણે કે ‘ઇફેક્ટ’ છે, ‘રિઝલ્ટ’ છે પણ નુકસાન કરવાનો જે ઈરાદો હતો આપણો, તે ‘કૉઝ’ છે. તે પ્રતિક્રમણ કરવાથી એ ઈરાદો તૂટી ગયો. એથી પ્રતિક્રમણ એ કૉઝિઝ તોડે છે, બાકી આ બન્યું એ તો રિઝલ્ટ છે. એટલે પ્રતિક્રમણથી આ સાફ થઈ જાય છે. આ તો ‘સાયન્ટિફિક ઇન્વેન્શન’ (વૈજ્ઞાનિક શોધખોળ) છે !

પ્રશ્નકર્તા : આ પ્રતિક્રમણ જે કરીએ છીએ, તો એ પ્રતિક્રમણ કઈ રીતે કાર્ય કરે છે, કે જેનાથી આપણા દોષો ધોવાઈ જાય છે અને આપણને પ્યૉર ફોર્મ (શુદ્ધ રૂપ)માં લઈ આવે છે ? એ પ્રતિક્રમણ પેલાના શુદ્ધાત્મા પાસે જાય છે ને બધું ‘વાઈપ’ કરી આવે (સાફ કરી આવે) છે કે શું હોય છે એ ?

દાદાશ્રી : એવું છેને, બટન દબાવ્યું એટલે લાઈટ થઈ અને ફરી પાછું બટન દબાવીએ એટલે લાઈટ બંધ થઈ જાય. એવી રીતે પેલું કંઈક દોષ કર્યો હોય અને પ્રતિક્રમણ કરીએ એટલે દોષ બંધ થઈ જાય.

ભાવ પરિવર્તન, પ્રતિક્રમણ થકી

જેને દોષ દેખાવા માંડ્યા, પાંચ દેખાયા ત્યાંથી જાણવું કે હવે ઉકેલ આવવાનો થયો.

જેટલા દોષ દેખાયા, એ દોષ ગયા ! ત્યારે કોઈ કહે, એવો ને એવો દોષ ફરી દેખાય છે. ખરી રીતે એનો એ દોષ ફરી આવતો નથી. આ તો એક-એક દોષ ડુંગળીના પડની જેમ અનેક પડવાળા હોય છે. એટલે એક પડ ઊખડે ત્યારે આપણે પ્રતિક્રમણ કરી કાઢીએ, ત્યારે બીજું પડ આવીને ઊભું રહે, એનું એ જ પડ ફરી ના આવે. ત્રીસ પડ હતા એના ઓગણત્રીસ રહ્યા. ઓગણત્રીસમાંથી એક પડ જશે ત્યારે અઠ્ઠાવીસ રહેશે. એમ ઘટતાં જશે ને છેવટે એ દોષ ખલાસ થઈ જશે.

કોઇનેય માટે અતિક્રમણ થયા હોય તો આખો દહાડો તેના નામના પ્રતિક્રમણ કરવા પડે, તો જ પોતે છૂટે. જો બન્નેય સામસામા પ્રતિક્રમણ કરે તો જલદી છૂટાય. પાંચ હજાર વખત તમે પ્રતિક્રમણ કરો ને પાંચ હજાર વખત સામો પ્રતિક્રમણ કરે તો જલદી પાર આવે, પણ જો સામાવાળો ના કરે ને તારે છૂટવું જ હોય તો દસ હજાર વખત પ્રતિક્રમણ કરવા પડે, તો તું પોતે તો છૂટીશ; પણ વન સાઇડેડ પ્રતિક્રમણ હોવાથી પોતાના માટે સામેવાળાને દુઃખ રહ્યા જ કરશે. છતાંય આ પ્રતિક્રમણથી તો સામાવાળાનાય તમારા માટેના ભાવ બદલાય, પોતાનેય સારા ભાવ થાય ને સામાનેય સારા ભાવ થાય. કારણ કે પ્રતિક્રમણમાં તો એટલી બધી શક્તિ છે કે વાઘ કૂતરા જેવો થઇ જાય ! પ્રતિક્રમણ ક્યારે કામ લાગે ? જ્યારે

(પા. ૧૭)

કંઇક અવળા પરિણામ ઊભાં થાય ત્યારે જ કામ લાગે. વાઘ એની બોડમાં હોય અને તું તારે ઘેર હોય ને તું પ્રતિક્રમણ કરે તો બહુ કામ ના લાગે, પણ વાઘ સામે ‘ખાઉં ખાઉં’ કરતો હોય ત્યારે પ્રતિક્રમણ કરે તો ખરેખરું ફળ આપે ! ત્યારે જ વાઘ પણ બકરી જેવો થઇ જાય !

આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન બે જાતનાં આ પ્રમાણે છેઃ એક તો વ્યવહારના (દ્રવ્ય પ્રતિક્રમણ), આ બધા સાધુઓ વગેરે કરે છે તે, તેનાથી ગાંઠોની ચીકાશ ઓછી થાય; પણ જ્યારે ભૂલ થાય ને તરત જ કરે તો વધારે ઊંચું ફળ મળે. બીજા નિશ્ચયના (ભાવ પ્રતિક્રમણ), જે આપણા સ્વરૂપજ્ઞાન પામેલા મહાત્માઓ કરે છેતે.

આજ્ઞાપૂર્વકના પ્રતિક્રમણ

આ પ્રતિક્રમણ કરવાથી બહુ શક્તિઓ ખીલે પણ અમારી આજ્ઞાથી કરે તો.

પ્રશ્નકર્તા : એ કેવી રીતે ને ક્યારે ?

દાદાશ્રી : અમારી આજ્ઞા લઈને કરી આવે (કરે) તો કામ કાઢી લે, આ જાત્રામાં ખાસ. એવા સંજોગોમાંય આજ્ઞાથી કરવું.

૧૯૭૩માં અમે બધા ૩૮ દિવસની જાત્રાએ ગયેલા. ત્યાંય અમારે તો નો લૉઝ (કોઈ કાયદો નહીં). તે પછી એવું નહીં કે કોઈની જોડે વઢવાનું નહીં. જેની જોડે લઢવું હોય તેની જોડે લઢવાની છૂટ. તે લઢવાની છૂટ આપવી એવુંય નહીં ને ના આપવી એવું નહીં. તે જો લઢે તો ‘અમે’ જોઈએ. પણ રાત્રે પાછા બધા ‘અમારી’ સાક્ષીએ પ્રતિક્રમણથી ધોઈ નાખે ! સામસામા ડાઘા પડે અને પાછા ધોઈ નાખે! આ પ્યૉર ‘વીતરાગ માર્ગ’ છે. એટલે અહીં કેશ-રોકડા પ્રતિક્રમણ કરવા પડે, આમાં પખવાડિક-માસિક પ્રતિક્રમણ ના હોય. દોષ બેઠો કે તરત જ પ્રતિક્રમણ.

પ્રશ્નકર્તા : આમ જાગૃતિ છે કે ‘શુદ્ધાત્મા’ છું પણ છતાંય પેલું અગાઉનું...

દાદાશ્રી : જે કચરો હોય ને, તે મહીંથી ના નીકળે તો મહીં રહી જશે, એના કરતાં નીકળે તો સારું. એટલે અમે જાત્રાએ જતા’તા ને, તે અમારા થોડાક પટેલો ને મહીં બીજા તમારા જેવા વણિકો હોય, તે અંદર-અંદર એવા બાઝે, એવા બાઝે તો આ બધા મને શું કહે, કે ‘દાદાજી, આમને છોડાવોને ! આ લોકો આટલા અવળા શબ્દો બોલે છે ને બહુ લડી પડ્યા છે.’ મેં કહ્યું, ‘મારી રૂબરૂમાં લઢે તો ઉકેલ આવી જાય, જલદી પાર આવી જાય અને કશું બંધાય નહીં બિચારાને. એટલે તો મારંમાર કરતા હોય તો છોને મારવા દો કે ‘મારો બરોબર’ એવું કહું. એ તો મહીં છે તો મારશો. મહીં છે જ નહીં, તો શી રીતે મારવાના?

એટલે બસમાં આવું આખો દહાડો તોફાન ચાલ્યા કરે એટલે ડ્રાઈવર મને એમ કહે કે ‘સાહેબ, તમે તો ભગવાન જેવા છો. આવા માણસ જોડે તમારે ક્યાંથી પ્રેમ થયો ?’ મેં કહ્યું, ‘આ માણસો જ ઉત્તમ છે બધા. એક દહાડો સુધરશે!’

પછી સાંજ થાય એટલે બધા ભેગા થઈને આરતી કરે પાછા, ‘દાદા ભગવાન’ની, બસમાં ને બસમાં ! એ મારે-કરે (ઝઘડે-કરે) પણ પાછા બધા ભેગા થઈને આખી આરતી બોલે અને પછી પ્રતિક્રમણ કરે. જે બધા વઢંવઢા કરતા હતા, તે સામા આવીને પગે અડીને પાછા નમસ્કાર કરી આવે. એટલે પેલો ડ્રાઈવર કહે છે કે ‘આવું તો મેં દુનિયામાં કોઈ જોયું નથી.’ તરત જ પાછા પ્રતિક્રમણ કરવાના, રોજ એક વખત પ્રતિક્રમણ કરવાના. લઢો એટલું જ પ્રતિક્રમણ કરવાનું અને તે પગે અડીને. જો હવે છે કશી ભાંજગડ ?

પ્રતિક્રમણરૂપી વિચાર (સાધન) આપીએ છીએ. અમારી આજ્ઞાથી પ્રતિક્રમણ કરશો તો

(પા. ૧૮)

સપાટાબંધ કલ્યાણ થઈ જશે. પાપ ભોગવવા પડશે પણ આટલા બધા નહીં.

અમારા પ્રતિક્રમણ, દોષ થતાં પૂર્વે

પ્રશ્નકર્તા : મને તો આપની એક વાત ગમેલી, આપ બોલેલા, કે અમારા પ્રતિક્રમણ દોષ થતાં પહેલાં થઈ જાય છે.

દાદાશ્રી : હા, આ પ્રતિક્રમણ ‘શૂટ ઑન સાઈટ’ થવાના. દોષ થતાં પહેલાં ચાલુ જ થઈ જાય એની મેળે. આપણને ખબરેય ના પડે કે ક્યાંથી ઊભું થયું ! કારણ કે એ જાગૃતિનું ફળ છે. અને સંપૂર્ણ જાગૃતિ એનું નામ કેવળજ્ઞાન. બીજું શું ? જાગૃતિ જ મુખ્ય વસ્તુ છે.

અમે હમણાં આ સંઘપતિનું અતિક્રમણ કર્યું એનું પ્રતિક્રમણ હઉ અમારે થઈ ગયું. અમારું પ્રતિક્રમણ જોડે જોડે જ થાય. બોલીએય ખરા અને પ્રતિકમણ કરીએય ખરા. બોલીએ નહીં તો ગાડું ચાલે નહીં.

પ્રશ્નકર્તા : દાદા, અમારેય ઘણી વખત એવું બને છે, કે બોલતાં હોઈએ અને પ્રતિક્રમણ થતું હોય પણ તમે જે રીતે કરો છો ને અમે કરીએ છીએ એમાં અમને ફરક લાગે છે.

દાદાશ્રી : એ અમારો તો કેવો ફેર ? ધોળા વાળ ને કાળા વાળ એકદમ સુંવાળા, એમાં કેવો ફેર?

પ્રશ્નકર્તા : તમે કહો કે તમે પ્રતિક્રમણ કેવી રીતના કરો છો?

દાદાશ્રી : એની રીત કહેવાથી ના જડે, બળ્યું ! જ્ઞાન થયા પછી બુદ્ધિ જતી રહે, પછી એ આવે. ત્યાં સુધી એ રીત ખોળવીય નહીં. આપણે આપણી મેળે ચઢવું. જેટલું ચઢાય એટલું સાચું.

પ્રશ્નકર્તા : અમારે ખોળવી નથી, જાણવી જ છે, દાદા.

દાદાશ્રી : ના, પણ એ રીત જ ના જડે. ચોખ્ખું હોય, ‘ક્લિઅર’ જ હોય ત્યાં બીજું શું કરવાનું હોય ? એક બાજુ ભૂલ થાય ને એક બાજુ ધોવાતી જાય. જ્યાં બીજો કોઈ ડખો હોય જ નહીં. આ બધું ‘અન ક્લિઅર’, બધા ઢગલેઢગલા માટીના પડ્યા હોય ને ઢેખાળા પડ્યા હોય એ ચાલે નહીં ને ! છતાં રસ્તા પર ધૂળ દેખાવા માંડી (રસ્તો ચોખ્ખો દેખાવા માંડ્યો) એટલે આપણે સમજીએ કે હવે પહોંચવાના છીએ. તમને પોતાની ભૂલ દેખાય છે પછી વાંધો શો છે ?

પ્રશ્નકર્તા : ના, આ તો તમારી રીત જાણવા પૂછ્યું.

દાદાશ્રી : પોતાની ભૂલ દેખાય ત્યાં સુધી જાણવું કે આપણે રાગે પડી ગયું છે.

ભાદરણવાળા આવે ત્યારે હું કહું કે તારા કાકા તો આવા હતા.

પ્રશ્નકર્તા : આપની વાત જુદી છે.

દાદાશ્રી : ના, ગમે તેવું જુદું હોય તો પણ અમારે એના પ્રતિક્રમણ કરવા પડે. એક અક્ષરેય છોડાય નહીં. કારણ કે એ ભગવાન કહેવાય. તમે શું કહો છો ? નિંદા કરવાની બંધ કરી દેવી જોઈએ ?

પ્રશ્નકર્તા : જો જાગૃતિ હોય તો નિંદા કરે નહીં.

દાદાશ્રી : જાગૃતિ હોય, પોતે આમ જાગતો હોય અને આ બોલાતુંય હોય એક બાજુ, પોતાને એમ લાગતું હોય કે આ ખોટું બોલી રહ્યો છું, એમેય જાણતો હોય.

પ્રશ્નકર્તા : એ તો જ્ઞાની પુરુષની વાત થઈ.

દાદાશ્રી : ના, તમારે હઉ એવું રહે ને !

(પા. ૧૯)

પ્રશ્નકર્તા : એવું થાય છે કે જાગૃતિ હોય, છતાં નિંદા કે પેલું જે કંઈ કરતા હોય, એ બન્ને ભેગું થતું હોય છે. તે વખતે એનું પ્રતિક્રમણ પણ થઈ જાય.

જ્ઞાનીના પ્રતિક્રમણ કેવા ?

દાદાશ્રી : અમે તો કેટલાય અવતારથી પ્રતિક્રમણ કરતાં કરતાં આવ્યા ત્યારે અત્યારે કપડાં સાફ થયા અને તમારાય કપડાં સાફ કરી આપીએ છીએ !

મારેય પ્રતિક્રમણ કરવાના હોય. મારા જુદી જાતના ને તમારે જુદી જાતના હોય. મારી ભૂલ તમને બુદ્ધિથી ના જડે એવી હોય. અમારામાં સ્થૂળ દોષો કે સૂક્ષ્મ દોષો ના હોય. જ્ઞાનીમાં સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ દોષ હોય છે. જે અન્ય કોઈને કિંચિત્માત્ર પણ હરકતકર્તા ના હોય. અમારા સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ દોષો પણ અમારી દ્રષ્ટિમાંથી જાય નહીં. બીજા કોઈને ખબર ના પડે કે અમારો દોષ થયો છે. અમારે તો ઉપયોગ ચૂક્યા બદલનું પ્રતિક્રમણ કરવું પડે. ઉપયોગ ચૂક્યા તે અમારે તો પોષાય જ નહીં ને !

જ્યાં સુધી અમારે સાહજિકતા હોય ત્યાં સુધી અમારે પ્રતિક્રમણ ના હોય. સાહજિકતામાં તમારેય પ્રતિક્રમણ કરવા ના પડે. સાહજિકતામાં ફેર પડ્યો કે પ્રતિક્રમણ કરવું પડે. અમને તમે જ્યારે જુઓ, ત્યારે સાહજિકતામાં જ દેખો. જ્યારે જુઓ ત્યારે અમે તેના તે જ સ્વભાવમાં દેખાઈએ. અમારી સાહજિકતામાં ફેર ના પડે.

અમારી ભૂલો, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ

મારે કંઈ આવા (સ્થૂળ) દોષ નહીં આવવાના, આ તો કચરો બધો. મારો જે દોષ દેખાય છે ને, તે જગત જો સાંભળેને તો આફરીન થઈ જાય, અને કહે કે આને દોષ ગણાય કેમ? એટલે તો એ ભગવાન કેવા? કેવું કૈવલ્ય છે ! કેટલું ઐશ્વર્ય ધરાવે છે ! ફૂલ ઐશ્વર્ય, આખા વર્લ્ડમાં ! તેથી કહીએ છીએ ને, જોડે બેસી રહેજો, સમજણ ન પડે તોય!

પ્રશ્નકર્તા : દાદા, એ દોષ તમે કીધા ને, જ્યાં એ આશ્ચર્ય પામીએ, એનો એકાદ દાખલો આપો ને ?

દાદાશ્રી : એ તો ખરો વખત આવે ત્યારે સામો દાખલો આપીશ ત્યારે મજા આવે.

અમને એ દોષ દેખાયા વગર રહે જ નહીં. એને બહાર તમે જોવા જાવ તો કહે શું કે શી રીતે આ દોષ હોય ? આને દોષ ગણાય કેમ કરીને ? જમતી વખતે દોષ દેખાયને કે આ દોષ કર્યો, આ દોષ કર્યો. દોષ એટલે પુદ્ગલના પણ મૂળ માલિક તો આપણે, જવાબદાર તો આપણે જ ને ! ટાઈટલ તો આપણું જ હતું ને પહેલાં, અત્યારે ટાઈટલ આપી દીધું. પણ એ કંઇ વકીલો છોડે કે ? કાયદા ખોળી કાઢેને?

પ્રશ્નકર્તા : ‘માલિકીપણું છૂટી ગયું છે’ કહો છો પછી દોષ આપણા કેમ કહેવાય ? પુદ્ગલના દોષને આપણે શું લેવાદેવા ?

દાદાશ્રી : આપણા કહેવાય નહીં પણ જવાબદાર તો છો જ.

પ્રશ્નકર્તા : એ તો આપને માટે વાત છે.

દાદાશ્રી : એ તો દોષ અમને દેખાય છે, તે અમને સમજાય છે ને ! ઓહોહો ! ભગવાનને કેટલી શક્તિ ઉત્પન્ન થઈ છે, કે હજુ અમારામાં એમને દોષ દેખાય છે ! એ અમારે સાચા લાગે છે પાછા. તે ‘અમે’ ક્યાં છીએ, ‘એ’ ક્યાં છે, એ મને સમજાય. બીજું તો શું વાંધો ? આવા કંઈ સંસારી દોષ થયા, એવા નથી.

(પા. ૨૦)

પ્રશ્નકર્તા : બહુ સૂક્ષ્મ હોય એ દોષો ?

દાદાશ્રી : સૂક્ષ્માતિસૂક્ષ્મ, સૂક્ષ્મતમ જેને કહેવામાં આવે છે તે. આ તમને દોષ દેખાડીએ, એ તમને તમારા દોષ નથી દેખાતા તેથી. એ તમારા ઉપરી ભવિષ્યમાં પણ રહેશે. દોષ દેખાડનારા જોઈએ ને? મારે તેથી ઉપરી થવું પડ્યું છે ને ! નહીં તો તમારા ઉપરી મારે થવાનું હોય નહીં. હું તો જ્ઞાન આપીને છૂટો થઈ ગયો. કાયમ ઉપરી તેથી રહેવું પડે છે, દેખાડનાર જોઈએ. તમારા પોતાના દોષ તમે જોઈ શક્યા એટલે ઉપરી હોય જ નહીં. કુદરતનો કાયદો આ, નેચરલ લૉ. તમને દોષો દેખાતા નથી માટે ઉપરી હોય જ. આ થોડા-ઘણા દોષો દેખાય છે ને, તે મેં દ્રષ્ટિ આપી છે તેથી દેખાયા. હવે વધારે ને વધારે દેખાય છે કે નથી દેખાતા ?

પ્રશ્નકર્તા : દેખાય છે ને !

દાદાશ્રી : હજુ સૂક્ષ્મમાં તો પહોંચ્યા જ નથી. આ તો બધું હજુ સ્થૂળમાં છે.

અભેદતાના સિદ્ધાંતે પ્રતિક્રમણ

આપણા સિદ્ધાંતમાં કોઈ દોષિત છે જ નહીં ને !

આ જન્મજયંતી પ્રસંગે પચ્ચીસસો માણસ આવ્યું હતું, તેમાં કોઈની મારા તરફ દ્રષ્ટિ ખરાબ થઈ હશે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : શું કારણથી ? મહીં ચોખ્ખું કર્યું ને ! આખી રાત મેં ચોખ્ખું કર કર કરેલું અને સવારના પહોરમાં છૂટું મૂક્યું, તે પછી મેલું થાય જ નહિ ને ! (આખી રાત) આમ પાસા ફેરવે, તેમ પાસા ફેરવે, ચોખ્ખું કર કર કર્યા કરે.

પ્રશ્નકર્તા : કેવી રીતે કર્યું, દાદા ? એ શું કર્યું ?

દાદાશ્રી : કેટલાય પ્રતિક્રમણ કર્યા. કેટલા બધા લોકો, એની જોડે (એને) મળવાનું, વાતચીત કરવાની. આ બધા લોકોને રાત્રે મળવા જાઉં, વાતચીત કરું. એનું બધું ચોખ્ખું કરી, એના મનનું સમાધાન કરી નાખું, ત્યાં ને ત્યાં. હવે અહીં આવે તો એને સમાધાન લાગે.

પ્રશ્નકર્તા : કોઈ વ્યક્તિ જોડેનું મન આપ ચોખ્ખું કેવી રીતે કરો છો ? શું વાતચીત કરો ?

દાદાશ્રી : કે ‘ભઈ, મારી ભૂલ થઈ છે ને હવે આપણે મોક્ષે જઈએ ને, આ ભાંજગડમાં શું કામ પડો છો ? આપણે શું લેવાદેવા છે તે ?’ એનું મન ખુશ કરી દઈએ.

પ્રશ્નકર્તા : ગઈકાલે આપે આખી રાત પ્રતિક્રમણ કર્યાં, એની પાછળ કયો પ્રિન્સિપલ (સિદ્ધાંત) કામ કરે છે ?

દાદાશ્રી : અભેદતાનો. આ પચ્ચીસસો જોડે અભેદ હતું. પચ્ચીસસો નહિ, આખા શહેર જોડે અભેદ હતું. છતાં કોઈ આંખોય કાઢી ગયા, કોઈ દર્શનેય કરી જાય. પ્રેમ તેં જોયો બધે ! ખુલ્લો આત્મા ચાલ્યો (બગીમાં) બેઠો, બેઠો, બેઠો ! ખુલ્લો આત્મા, દેહ વગરનો આત્મા ચાલ્યો, બજાર વચ્ચે ! ને જો આનંદ, આનંદ, આનંદમાં હતું લોક ! અમે આખા જગત જોડે આ રીતે નિવારણ કરેલું, ત્યારે તો આ છૂટકો થયો.

ગૌતમ સ્વામીનું પ્રતિક્રમણ

ભગવાનના વખતમાં શું આવા પ્રતિક્રમણ હશે ? શી ભગવાનના વખતની વાત ! ભગવાનના શ્રાવક, આનંદ શ્રાવકને અવધિ જ્ઞાન ઊપજેલું. ગૌતમ સ્વામી ત્યાં પહોંચ્યા, ત્યારે આનંદ શ્રાવકે

(પા. ૨૧)

તેમને કહ્યું કે ‘મને અવધિજ્ઞાન ઊપજ્યું છે !’ ત્યારે ગૌતમ સ્વામીને તે સાચું ના લાગ્યું. તેમણે આનંદ શ્રાવકને કહ્યું કે ‘આ ખોટું વિધાન છે, માટે તમે તેનું પ્રતિક્રમણ કરો.’ આનંદ શ્રાવકે કહ્યું : ‘સાચાનું કરું કે ખોટાનું ?’ ગૌતમ સ્વામીએ કહ્યું, ‘પ્રતિક્રમણ ખોટાનું જ કરવાનું હોય, સાચાનું નહીં.’ એટલે આનંદ શ્રાવકે કહ્યું, ‘જો સાચાનું પ્રતિક્રમણ ના હોય તો હું પ્રતિક્રમણ કરવાને અધિકારી નથી.’ ગૌતમ સ્વામી ત્યારે ચાલ્યા ગયા, ભગવાન મહાવીર સ્વામીને જઇને પૂછવા લાગ્યા, ‘હે ભગવન્ ! આનંદ શ્રાવક પ્રતિક્રમણના અધિકારી કે નહીં ?’ ભગવાને કહ્યું, ‘ગૌતમ ! આનંદ સાચો છે, તેને અવધિજ્ઞાન ઊપજ્યું છે. માટે તમે જાવ અને આનંદ શ્રાવકનું પ્રતિક્રમણ કરી આવો.’ તે ગૌતમ સ્વામી દોડતા આનંદ શ્રાવક પાસે પહોંચી ગયા ને પ્રતિક્રમણ કર્યું !

વ્યવહાર ના શોભે એવો હોય ત્યાં પ્રતિક્રમણ કરવું પડે.

તીર્થંકરોના પ્રતિક્રમણના કોડ

મહાવીર ભગવાને આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખાન, આ ત્રણ વસ્તુ એક જ શબ્દમાં આપી છે. બીજો કોઈ રસ્તો જ નથી. હવે પોતે પ્રતિક્રમણ ક્યારે કરી શકે ? પોતાને જાગૃતિ હોય ત્યારે. જ્ઞાની પુરુષ પાસે જ્ઞાન પ્રાપ્ત થાય, ત્યારે એ જાગૃતિ ઉત્પન્ન થાય. આપણે તો પ્રતિક્રમણ કરી લેવું, એટલે આપણે જવાબદારીમાંથી છૂટ્યા.

પ્રશ્નકર્તા : વાણી બોલતી વખતે કેવા પ્રકારની જાગૃતિ રાખવી?

દાદાશ્રી : તીર્થંકરોએ કોડ એવો નક્કી કરેલો હોય કે ‘મારી વાણીથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ થાય નહીં. દુઃખ તો થાય જ નહીં, પણ કોઈ જીવનું કિંચિત્માત્ર પ્રમાણ પણ ના દુભાય, ઝાડનુંય પ્રમાણ ના દુભાય.’ એવા કોડ ફક્ત તીર્થંકરોને જ થયેલા હોય. (આપણે) જાગૃતિ એવી રાખવાની કે ‘આ બોલ બોલવામાં કોને કોને કેવી રીતે પ્રમાણ દુભાય છે’ એ જોવાનું છે.

પ્રશ્નકર્તા : વાણી નીકળે ત્યારે કઈ જાતની અને કેવા પ્રકારની જાગૃતિ રાખવી ?

દાદાશ્રી : પેલાને છાતીના પાટિયાં બેસી જાય એવો મોટો પથરો મારીએ, તો તે વખતે આપણી જાગૃતિ ઊડી જ જાય ! નાનો પથરો મારીએ તો જાગૃતિ ના ઊડે. એટલે પથરો નાનો થશે ત્યારે એ જાગૃતિ આવશે.

પ્રશ્નકર્તા : એટલે આપણે પથરો કેવી રીતે નાનો કરવો ?

દાદાશ્રી : પ્રતિક્રમણથી !

સ્વરૂપનું જ્ઞાન અને પ્રતિક્રમણથી જ મોક્ષ

પ્રશ્નકર્તા : દાદાજી, એવું છે કે આ જ એક શસ્ત્ર છે જેનાથી મોક્ષ થવાનો છે.

દાદાશ્રી : નહીં, એવું નહીં. પ્રતિક્રમણ તો આ બધાં સાધનોમાંનું એક સાધન છે. મોક્ષે જવું તે પોતાના સ્વરૂપનું જ્ઞાન એટલું જ સાધન છે, બીજું સાધન નથી.

પ્રશ્નકર્તા : એ તો બરોબર છે, પણ પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરતાં રહેવું પડશેને ?

દાદાશ્રી : કરવા પડશે. તે પણ થાય તે કરે. ના થાય તે શું કરે ? એ તો ના ચાલતા હોય ત્યારે મારે ખભે બેસાડવા પડે. એ તો એની મેળે કરે પછી, એનામાં શક્તિ આવે તો તો કરે પાછા. ના જ કરે એવા નફ્ફટ નથી આ. દાદાને મળેલા બધા ફટ છે.

પ્રશ્નકર્તા : દાદા, અમને એ વિસ્તારથી સમજાવો.

(પા. ૨૨)

દાદાશ્રી : એ તો તમારે માટે સમજાવવાનું હોય તો હું કહી દઉં કે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન ત્રણેય કરજો. તમને (મહાત્માઓને) બધાને કળ વળેલી છે, આમને (મુમુક્ષુને) કળ વળે નહીં. કળિયુગમાં શી રીતે માણસને કળ વળે ?

પ્રતિક્રમણ કરનાર પ્રતિષ્ઠિત આત્મા

આપણે પૂર્ણાહુતિ કરવી હોય તો બે ભાગ રાખવા જોઈએ. એક ફાઈલ ભાગ, પ્રતિષ્ઠિત આત્મા અને બીજો મૂળ ભાગ, શુદ્ધાત્મા. ફાઈલોમાંના ભૂલવાળા ભાગને લીધે વિચારો આવે, તેના જ્ઞાતા-દ્રષ્ટા રહેવું તો બન્ને ભાગમાં યથાર્થ રહી શકાય અને તેમ ન રહેવાય તો થયેલી ભૂલનું પ્રતિક્રમણ કરવાનું ફાઈલને કહી દેવું જોઈએ. મૂળ ભાગને તો પ્રતિક્રમણ હોય જ નહીં.

‘ક્રોધ નથી કરવો આપણે’ એ કહેનાર પણ પ્રતિષ્ઠિત આત્મા, આપણે જોનાર ને જાણનાર. ક્રોધ થયો જાણ્યું એટલે આપણે જ્ઞાતા-દ્રષ્ટા. પ્રતિષ્ઠિત આત્મા પાસે પ્રતિક્રમણ કરાવવું, તદ્રુપ-એકાકાર થઈને નહીં.

પ્રતિક્રમણના પંપ થકી ઉન્નતિ

પાંચ આજ્ઞામાં વધારે રહેવું, બીજું કશું કરવા જેવું છે નહીં. સવારથી નક્કી કરવું કે પાંચ આજ્ઞામાં જ રહેવું છે ને ના રહેવાય તો રાત્રે પ્રતિક્રમણ કરી લેવું. એટલે બીજે દહાડે રહેવાય. પછી આગળ ફોર્સ વધતો જશે. એને કંઈ બીજા પંપો નથી હોતા, આ જ પંપ.

પ્રશ્નકર્તા : હા, પ્રતિક્રમણનો પંપ.

દાદાશ્રી : પ્રતિક્રમણનો પંપ. એટલે મેં શું કાયદો કરેલો કે ભઈ, જેટલી આજ્ઞાઓ તમારાથી પળાય એટલી પાળો. તમારાથી ન પાળી શકાય તો દાદાની પાસે ક્ષમા માગો કે દાદાજી, જેટલી પળાય એટલી પાળું છું ને ન પળાય એનું હું શું કરવાનો હતો ? માટે તમારી ક્ષમા માગું છું. એટલે તમારી બધી આજ્ઞા પૂરી થઈ ગઈ. પણ આ ઈરાદાપૂર્વક ધકેલવા માટે આવું ના કરતા.

પ્રશ્નકર્તા : હા, બરાબર છે.

દાદાશ્રી : હાર્ટિલી રીતે તમારાથી આ ન થાય તે તમે આવી રીતે કરો, તો અમારી બધી આજ્ઞા પાળો છો એવું હું સ્વીકારી લઈશ.

કારણ કે માણસ કેટલું કરી શકે ? જેટલું થાય એટલું કરે અને બાકીનું માફી માગીએ. પછી એનું તો હું બધું ભગવાનને કહી દઉંને કે શું વાંધો છે આનો ? તમારી આજ્ઞામાં જ છે, ના પળાય તો એ શું કરે ?

એટલે આપણે તો બધા કાયદા બહુ સુંદર ! પ્રતિક્રમણ કરી લેવું પડે. અને એ પ્રતિક્રમણ તમને ઉપર લઈ જશે, ટોપ ઉપર. એનાથી ઉપર જઈ શકાય. આપણે રસ્તા છે એટલે એમાં રહેવાની જરૂર છે, ટેન્શન રાખવાની (ચિંતા કરવાની) કંઈ જરૂર નથી. આ આમાં કંઈ ખોટ જતી નથી. રસ્તા પકડવાની જરૂર છે, જ્ઞાન જ પકડવાની જરૂર છે.

મારે દાદાની આજ્ઞા પાળવી છે અને આમની જોડે ‘સમભાવે નિકાલ’ કરવો જ છે. પછી સમભાવે નિકાલ ના થાય તો તમે જોખમદાર નથી. આજ્ઞા પાળવાના અધિકારી, તમે તમારા નિશ્ચયના અધિકારી છો, એના પરિણામના અધિકારી તમે નથી. તમારે (તમારો) નિશ્ચય હોવો જોઈએ કે મારે આજ્ઞા પાળવી જ છે, પછી ના પળાય તો તેનો ખેદ તમારે કરવાનો નહીં. પણ હું તમને દેખાડું તે પ્રમાણે પ્રતિક્રમણ કરવાનું. અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. આટલો સરળ, સીધો ને સુગમ માર્ગ છે, તેને સમજી લેવાનો છે.

(પા. ૨૩)

અમને શુદ્ધ કરો, તમે તો શુદ્ધ થઈ ગયા

અતિક્રમણ એ મોટામાં મોટી હિંસા છે. તેના માટે પ્રતિક્રમણ હોવું ઘટે. આ બહારની સ્થૂળ હિંસા એ તો અડે કે ના પણ અડે, એ તો મહીંની મશીનરી કેવી રીતે ફરે છે તે પ્રમાણે બંધાય; પણ મહીંની હિંસા, સૂક્ષ્મ હિંસા તો ધોવી જ પડે. અતિક્રમણ એ તો હિંસાખોરી કહેવાય. અત્યારે તો લોકો હિંસાને જ નથી સમજ્યા, તે પ્રતિક્રમણ શું કરે ? કેવું કરે ? જો સ્થૂળ હિંસા હિંસા કહેવાતી હોત તો ભરતરાજા મોક્ષે જ ના જઈ શક્યા હોત ! તેમના હાથે તો કેટલાય લશ્કર કપાયેલા ! સ્થૂળ હિંસા નડતી નથી, સૂક્ષ્મ હિંસા નડે છે.

આ મહાત્માઓને અમે ઓર જ જાતની વસ્તુ હાથમાં આપી છે ! જે અજાયબી છે !! જગતના લોકોને એકસેપ્ટ કરવું પડશે કે આ લઢતા હોય છતાં તેમને મહીં સમકિત નહીં જતું હોય. બન્ને ક્ષેત્રની ધારા જુદી જ વહ્યા કરે. આ તમારે (મુમુક્ષુઓને) તો બન્નેય ધારા ભેગી વહ્યા કરે છે. આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન વગર બન્નેય ધારા જુદી રહે જ નહીં.

જ્યાં પ્રતિક્રમણ નિરંતર હોય ત્યાં આત્મા ‘શુદ્ધ’ જ હોય. આપણે તો બીજામાં શુદ્ધાત્મા જોઇએ, પ્રતિક્રમણ કરીએ અને પોતાનો શુદ્ધાત્મા તો લક્ષમાં હોય જ. આ વ્યવહારિક ક્રિયા નથી કહેવાતી, એનાથી પછી બીજું બધુંય શુદ્ધ થયા કરે. આ પુદ્ગલ શું કહે છે ? ‘તમે શુદ્ધાત્મા થઈ ગયા, પણ મારો મોક્ષ નહીં થાય.’ ‘કેમ ભઈ, એવો શો વાંધો છે ? હું શુદ્ધ થઈ ગયો. મારું સ્વરૂપ જાણી લીધું.’ ત્યારે પુદ્ગલ કહે છે, ‘તમે મોક્ષે નહીં જાવ. જ્યાં સુધી અમે તમને છોડીએ નહીં ત્યાં સુધી તો તમે શી રીતે જશો ?’ ‘ત્યારે ભઈ, તમને શું વાંધો છે ?’ ત્યારે પુદ્ગલ કહે, ‘‘અમે તો અમારા સ્વભાવમાં હતા. તમે જ અમને બગાડ્યા. તમે ચોખ્ખા થયા, હવે અમને ચોખ્ખા કરીને જાવ. અમને ‘શુદ્ધ’ કરો, ‘તમે’ તો ‘શુદ્ધ’ થઇ ગયા ! માટે તમે અમને અમે હતા એવા કરી આપો એટલે અમેય છૂટા.’’ એટલે શુદ્ધ જોવું. જગત અશુદ્ધ જુએ છે, કારણ કે ‘હું કર્તા છું’ એ ભાવે કરે છે. અને ‘આનો કર્તા હું નથી’ એ ભાવ હવે થયો એટલે એ છૂટા થયા. આ અશુદ્ધ થઇ ગયેલા પુદ્ગલ નીકળે અને ત્યારે પ્રતિક્રમણ કરે, એનાથી એ શુદ્ધ થઇ જાય.

અક્રમ સિદ્ધાંતે થશે પૂર્ણાહુતિ

‘રાઈટ બિલીફ’થી જ અવિરોધાભાસ ઉત્પન્ન થાય અને અવિરોધાભાસને ‘સિદ્ધાંત’ કહેવાય.‘વિજ્ઞાન’ હંમેશાં સૈદ્ધાંતિક હોય અને તે સર્વ દુઃખોનો ‘એન્ડ’ (અંત) લાવે. ‘વિજ્ઞાન’ જ એનો ઉપાય, પણ એ ‘જ્ઞાની પુરુષ’નું અનુભવજન્ય ‘વિજ્ઞાન’ હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : આ અક્રમની વિશેષતા એ છે કે આત્મા અને અનાત્મા એ બન્ને ભેદવિજ્ઞાની પાસેથી છૂટાં પડી ગયેલા છે, જ્યારે ક્રમિકની અંદર તો ઠેઠ સુધી પેલાનું (જીવતા અહંકારનું) સાતત્ય હોય જ છે.

દાદાશ્રી : ઠેઠ સુધી અહંકારેય ખરો, એ ઓછો થતો જાય.

પ્રશ્નકર્તા : પેલામાં ઓછો થતો જાય અને અહીં તો આ જે છૂટું પડી ગયું છે, એને લીધે જે દશા વર્તે છે, એ અક્રમની વિશેષતા છે.

દાદાશ્રી : એટલે જ અહીં પ્રતિક્રમણ કરવું પડે છે. અકાળ દશાએ જ્ઞાન પ્રાપ્ત થાય છે માટે.

આ તો સહેલો માર્ગ છે, તરત જ કૂંચીઓથી તાળાં ખૂલી જાય ! કોઇ કાળમાં આવો સંયોગ નહીં ભેગો થાય ! આ તો અક્રમ માર્ગ છે! એક્સેપ્શનલ કેસ (અપવાદ માર્ગ) છે ! અને અગિયારમું આશ્ચર્ય છે ! ત્યાં કામ કાઢી લેજો. આવા પ્રતિક્રમણથી લાઇફ પણ સુંદર જાય અને મોક્ષે જવાય !

જય સચ્ચિદાનંદ