સેવાથી થાય જ્ઞાન પ્રેક્ટિકલ

સંપાદકીય

પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી)એ પોતાની આખી જિંદગીનો એક જ ધ્યેય રાખ્યો હતો કે મને જે ભેગો થયો તેને સુખ થવું જ જોઈએ. પોતાના સુખને માટે વિચાર સુદ્ધાં નહીં કરેલો પણ સામાને શી અડચણ છે અને તે શી રીતે દૂર થાય, એ ભાવનામાં જ નિરંતર રહેલા અને ત્યારે જ એમને કારુણ્યતા પ્રગટેલી ને સાથે અદ્ભુત અધ્યાત્મ વિજ્ઞાન પ્રગટ થયેલું.

અધ્યાત્મમાં પ્રગતિ સાધવા દાદાશ્રીના જગત કલ્યાણના મિશનમાં ‘સેવારૂપી યજ્ઞ’ એક મોટું નિમિત્ત છે. પૂર્ણાહુતિ થવા માટે બે રસ્તા છે; એક તો જુદાપણાની જાગૃતિ વધારી પુરુષાર્થ રૂપી યજ્ઞ માંડવો અને બીજું કે મહાત્માઓની સેવા કરીશું તો આપણું જ્ઞાન પ્રેક્ટિલ થઈ પૂર્ણાહુતિ થશે.

કષાયવાળી પ્રકૃતિમાંથી અકષાય તરફ જાય શી રીતે ? રાગ, મોહ, વિષયમાંથી નિર્મોહી કઈ રીતે થઈ શકશે ? દાદા કહે છે કે સેવામાં જ્યારે મન-વચન-કાયા વપરાશે, પારકાં માટે દેહ વપરાશે, જાતનો મોહ ઘસાશે, તો આ પ્રકૃતિ ખપશે. તન-મન-ધનથી જ્ઞાનીની સેવા કરજો, ત્યાં સુધી આ જ્ઞાન પરિણામ નહીં પામે. પૂજ્ય નીરુમા અને પૂજ્યશ્રી દિપકભાઈએ પણ જ્ઞાન સાથે દાદાની સેવામાં હોમાઈને જ્ઞાનીનો રાજીપો પ્રાપ્ત કરેલ.

૨૦૧૮નું વર્ષ દાદાજીની ૧૧૧મી જન્મજયંતીનું વર્ષ છે અને સાથે ગુરુપૂર્ણિમામાં પૂજ્યશ્રી તરફથી કષાય રહિત સેવાનો સંદેશો મળેલ છે. તે મુજબ આપણે સહુ જગત કલ્યાણના પ્રોજેક્ટમાં સેવા આપીશું. દાદામાં સેવા ના આપતા હોય તો ઘરમાં કે ઓફિસમાં સેવાનો વ્યવહાર આવતો જ હોય છે. પૂર્વે કરેલા રાગ-દ્વેષ, મોહના ફળરૂપે આ વ્યવહાર આવે છે. આ ફળ ભોગવી લેવાના અને નવા કષાય ઉત્પન્ન ન થાય, એ જાગૃતિ સાથે વ્યવહાર પૂરા કરવા છે. આ દાદાના કામમાં તો ક્રોધ-માન-માયા-લોભ હોમી દઈને સેવા આપવાની છે. કષાયો ખલાસ થવા માટે જ સેવા છે. અથડામણ થાય ત્યારે માન ઘવાય, ધાર્યુ ન થાય તો અથડામણ ઊભી થાય, આક્ષેપો પણ આવે. સેવા કરતા કેટલા એડજસ્ટમેન્ટ લેવા પડે, પ્રતિકૂળતામાં શીંગડા ઘસાય, નહીંતર અનુભવ કેવી રીતે ?

સેવા કરતા જેટલા એડજસ્ટમેન્ટ લેવાશે એનાથી જ કષાય તૂટતા જશે, કષાયોને જ્ઞાને કરીને ખાલી કરીશું તેમ જ્ઞાન પ્રેક્ટિકલ થતું જશે. આપણે નિશ્ચય કરીએ કે આવતા વર્ષે કષાય રહિત સેવા આપીશું. પ્રાપ્ત થયેલ સેવામાં અહંકાર અથડાશે, કૂટાશે પણ જુદા નથી પડવું. દાદાઈ જગકલ્યાણી યજ્ઞમાં આવનાર સહુ કોઈને સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય, એવી રીતે સહુ મહાત્માઓના મન-વચન-કાયા સેવામાં કાર્ય કરતા રહે અને આજ્ઞામાં રહીને પ્રગતિ સાધે એ જ અભ્યર્થના.

~ જય સચ્ચિદાનંદ.

(પા.૪)

સેવાથી થાય જ્ઞાન પ્રેક્ટિકલ

જીવન સરળ બનાવવા ઓબ્લાઈઝિંગ નેચર

પ્રશ્નકર્તા : જીવન સાત્ત્વિક અને સરળ બનાવવા માટે ઉપાયો કયા?

દાદાશ્રી : એ તો તારી પાસે હોય એટલું ઓબ્લાઈઝિંગ નેચર (પરોપકારી સ્વભાવ) કરીને લોકોને આપ આપ કર્યા કર, એમ ને એમ જીવન સાત્ત્વિક થતું જશે. ઓબ્લાઈઝિંગ નેચર કરેલો તેં ? તને ઓબ્લાઈઝિંગ નેચર ગમે છે ?

પ્રશ્નકર્તા : અમુક અંશે કરેલો.

દાદાશ્રી : એ વધારે અંશે કરીએ તો વધારે ફાયદો થાય. લોકોને ઓબ્લાઈઝ જ કર્યા કરવા. કોઈનો ધક્કો ખઈએ, ફેરો ખાઈએ, પૈસા આપીએ, કોઈ દુખીયો હોય એને બે કપડાં સીવડાવી આપીએ, એવું ઓબ્લાઈઝ કરવું.

ભગવાન કહે છે કે ‘મન-વચન-કાયા અને આત્માનો (પ્રતિષ્ઠિત આત્માનો) ઉપયોગ બીજા માટે વાપર. પછી તને કંઈ પણ દુઃખ આવે તો મને કહેજે.’

ધર્મની શરૂઆત જ ‘ઓબ્લાઈઝિંગ નેચર’થી થાય છે. તમે તમારા ઘરનું પારકાંને આપો ત્યાં જ આનંદ છે. ત્યારે લોકો લઈ લેવાનું શીખે છે ! તમારા માટે કંઈ જ કરશો નહીં. લોકો માટે જ કરજો, તો તમારા માટે કંઈ જ કરવું નહીં પડે.

પારકાં માટે કંઈક કરવાનો ભાવ

આ કોઈ ઝાડ પોતાના ફળો પોતે ખાય છે ? ના. એટલે આ ઝાડ મનુષ્યને ઉપદેશ આપે છે કે ‘તમે તમારા ફળ બીજાને આપો. તમને કુદરત આપશે.’ લીમડો કડવો લાગે ખરો, પણ લોકો વાવે ખરા. કારણ કે એના બીજા લાભ છે, નહીં તો છોડવો ઉખાડી જ નાખે. પણ એ બીજી રીતે લાભકારી છે. એ ઠંડક આપે છે, એની દવા હિતકારી છે, એનો રસ હિતકારી છે. સત્યુગમાં લોકો સામાને સુખ આપવાનો જ પ્રયોગ કરતા. આખો દહાડો ‘કોને ઓબ્લાઈઝ (સહાય) કરું’ એવા જ વિચારો આવે.

બહારથી ઓછું થાય તો વાંધો નહીં, પણ અંદરનો ભાવ તો હોવો જ જોઈએ આપણો કે ‘મારી પાસે પૈસા છે, તો મારે કોઈના દુઃખને ઓછું કરવું છે. અક્કલ હોય તો મારે અક્કલથી કોઈને સમજણ પાડીને પણ એનું દુઃખ ઓછું કરવું છે.’ જે પોતાને સિલ્લક હોય તે હેલ્પ (મદદ) કરવાની, નહીં તો ઓબ્લાઈઝિંગ નેચર તો રાખવો જ. ઓબ્લાઈઝિંગ નેચર એટલે શું ? પારકાંનું કરવા માટેનો સ્વભાવ !

ઓબ્લાઈઝિંગ નેચર હોય તો કેવો સરસ સ્વભાવ હોય ! કંઈ પૈસા આપી દેવા એ ઓબ્લાઈઝિંગ નેચર નથી. પૈસા તો આપણી પાસે હોય કે નાય હોય. પણ આપણી ઈચ્છા, એવી ભાવના હોય કે આને કેમ કરીને હેલ્પ કરું ! આપણે ઘેર કો’ક આવ્યો હોય, તેને કંઈ કેમ કરીને હેલ્પ કરું, એવી ભાવના હોવી જોઈએ. પૈસા આપવા કે ના આપવા એ તમારી શક્તિ મુજબ છે.

પૈસાથી જ કંઈ ‘ઓબ્લાઈઝ’ કરાય છે એવું નથી, એ તો આપનારની શક્તિ પર આધાર રાખે છે. ખાલી મનમાં ભાવ રાખવાના કે કેમ કરીને ‘ઓબ્લાઈઝ’ કરું, એટલું જ રહ્યા કરે તેટલું જ જોવાનું.

પરોપકારથી પુણ્ય સથવારે

જ્યાં સુધી મોક્ષ ના મળે ત્યાં સુધી પુણ્ય

(પા.૫)

એકલું જ મિત્ર સમાન કામ કરે છે અને પાપ દુશ્મન સમાન કામ કરે છે. હવે તમારે દુશ્મન રાખવો છે કે મિત્ર રાખવો છે, એ તમને જે ગમે તે પ્રમાણે નક્કી કરવાનું છે. મિત્રનો સંજોગ કેમ થાય તે પૂછી લેવું અને દુશ્મનનો સંજોગ કેમ જાય તે પૂછી લેવું. જો દુશ્મન ગમતો હોય તો તે સંજોગ કેવી રીતે થાય એ પૂછે, એટલે અમે તેને કહીએ કે જેમ ફાવે તેમ દેવું કરીને ઘી પીજે, ગમે ત્યાં રખડજે ને તને ફાવે તેમ મઝા કરજે, પછી આગળની વાત આગળ ! અને પુણ્યરૂપી મિત્ર જોઈતો હોય તો અમે બતાડી દઈએ કે ભાઈ, આ ઝાડ પાસેથી શીખી લે. કોઈ ઝાડ એનું ફળ પોતે ખાઈ જાય છે ? કોઈ ગુલાબ એનું ફૂલ ખાઈ જતું હશે ? થોડુંક તો ખાઈ જતું હશે, નહીં ? આપણે ના હોઈએ ત્યારે રાત્રે એ ખાઈ જતું હશે, નહીં ? ના ખાઈ જાય?

પ્રશ્નકર્તા : ના ખાય.

દાદાશ્રી : આ ઝાડ-પાન એ તો મનુષ્યોને ફળ આપવા માટે મનુષ્યોની સેવામાં છે. હવે ઝાડને શું મળે છે ? એમની ગતિ ઊંચી જાય છે, અને મનુષ્યો આગળ વધે છે એમની હેલ્પ લઈને ! એમ માનો ને કે આપણે કેરી ખાધી એ આંબાના ઝાડનું શું ગયું ? અને આપણને શું મળ્યું ? આપણે કેરી ખાધી એટલે આપણને આનંદ થયો. એનાથી આપણી વૃત્તિઓ જે બદલાઈ, તેનાથી આપણે સો રૂપિયા જેટલું આધ્યાત્મિકમાં કમાઈએ. હવે કેરી ખાધી એટલે તેમાંથી પાંચ ટકા આંબાને તમારામાંથી જાય અને પંચાણું ટકા તમારે ભાગે રહે. એટલે એ લોકો આપણા ભાગમાંથી પાંચ ટકા પડાવે (મેળવે) ને એ બિચારા ઊંચી ગતિમાં આવે અને આપણી અધોગતિ થતી નથી, આપણે પણ વધીએ. એટલે આ ઝાડ કહે છે કે અમારું બધું ભોગવો, દરેક જાતનાં ફળ-ફૂલ ભોગવો.

પરોપકાર, પરિણામે લાભ જ

આ લાઈફ જો પરોપકાર માટે જશે તો તમને કશીય ખોટ નહીં આવે, કોઈ જાતની તમને અડચણ નહીં આવે. તમારી જે જે ઈચ્છાઓ છે તે બધી જ પૂરી થશે અને આમ કૂદાકૂદ કરશો તો એકેય ઈચ્છા પૂરી નહીં થાય. કારણ કે એ રીતે તમને ઊંઘ જ નહીં આવવા દે. આ શેઠિયાઓને તો ઊંઘ જ નથી આવતી, ત્રણ-ત્રણ, ચાર-ચાર દિવસ સુધી ઊંઘી નથી શકતા. કારણ કે લૂંટબાજી જ કરી છે જેની ને તેની.

એટલે ઓબ્લાઈઝિંગ નેચર કર્યો કે રસ્તે જતાં જતાં, અહીં પાડોશમાં કો’કને પૂછતા જઈએ કે ભઈ, હું પોસ્ટ ઓફિસ જઉં છું, તમારે કંઈ કાગળ નાખવાના છે ? એમ પૂછતા પૂછતા જઈએ, શું વાંધો પણ ? કોઈ કહે, ‘મને તારી પર વિશ્વાસ નથી આવતો.’ ત્યારે કહીએ, ‘ભઈ, પગે લાગીએ છીએ.’ પણ બીજાને વિશ્વાસ આવે છે, તેનું તો લઈ જઈએ.

આ તો મારો નાનપણનો ગુણ હતો તે હું કહું છું, ઓબ્લાઈઝિંગ નેચર અને પચ્ચીસમે વર્ષે મારા બધા ફ્રેન્ડ મને સુપર હ્યુમન (દૈવી માનવ) કહેતા’તા.

હ્યુમન (મનુષ્ય) કોને કહેવાય કે જે આપે-લે, સરખા ભાવે વ્યવહાર કરે. સુખ આપ્યું હોય તેને સુખ આપે, દુઃખ આપ્યું હોય તેને દુઃખ ન આપે, એવો બધો વ્યવહાર કરે એ મનુષ્યપણું કહેવાય.

એટલે જે સામાનું સુખ લઈ લે છે, એ પાશવતામાં જાય છે. જે પોતે સુખ આપે છે ને સુખ લે છે એવો માનવ વ્યવહાર કરે છે એટલે મનુષ્યમાં રહે છે અને જે પોતાનું સુખ બીજાને ભોગવવા આપી દે છે એ દેવગતિમાં જાય છે, સુપર હ્યુમન. પોતાનું સુખ બીજાને આપી દે, કોઈ દુખીયાને, એ દેવગતિમાં જાય.

(પા.૬)

મનુષ્ય જીવનનો અર્ક

પ્રશ્નકર્તા : પરોપકારની સાથે ‘ઈગોઈઝમ’ (અહંકાર)ની સંગતિ હોય કે ?

દાદાશ્રી : હંમેશાં જે પરોપકાર કરે છે, તેનો ‘ઈગોઈઝમ’ નોર્મલ (સામાન્ય) જ હોય, તેનો વાસ્તવિક ‘ઈગોઈઝમ’ હોય અને જે કોર્ટમાં દોઢસો રૂપિયા ફી લઈને બીજાનું કામ કરતા હોય, તેનો ‘ઈગોઈઝમ’ બહુ વધી ગયેલો હોય.

આ જગતનો કુદરતી નિયમ શું છે કે તમારા પોતાના ફળ બીજાને આપો તો કુદરત તમારું ચલાવી લેશે. આ જ ગુહ્ય સાયન્સ છે ! આ પરોક્ષ ધર્મ છે. પછી પ્રત્યક્ષ ધર્મ આવે છે, આત્મધર્મ છેલ્લે આવે. મનુષ્ય જીવનનો હિસાબ આટલો જ છે, અર્ક આટલો જ છે કે મન-વચન-કાયા પારકાં માટે વાપરો.

‘નિરંતર સેવાભાવ’ એ જ હેતુ

દરેક કામનો હેતુ હોય કે શા હેતુથી આ કામ કરવામાં આવે છે. એમાં ઉચ્ચ હેતુ જો નક્કી કરવામાં આવે, એટલે શું કે આ દવાખાનું કાઢવું છે, એટલે પેશન્ટો (દર્દીઓ) કેમ કરીને આરોગ્ય પ્રાપ્ત કરે, કેમ કરીને સુખી થાય, કેમ એ લોકો આનંદમાં આવે, કેમ એમની જીવનશક્તિ વધે, એવો આપણો ઉચ્ચ હેતુ નક્કી કર્યો હોય અને સેવાભાવથી જ એ કામ કરવામાં આવે, ત્યારે એનું બાય પ્રોડક્શન કયું ? લક્ષ્મી ! એટલે લક્ષ્મી એ બાય પ્રોડક્ટ છે, એને મેઈન પ્રોડક્શન ના માનશો. જગત આખાયે જ લક્ષ્મીને મેઈન પ્રોડક્શન કરી, એટલે પછી એને બાય પ્રોડક્શનનો લાભ મળતો નથી. એટલે સેવાભાવ એકલો જ તમે નક્કી કરો તો એના બાય પ્રોડક્શનમાં લક્ષ્મી તો પછી વધારે આવે. એટલે લક્ષ્મીને જો બાય પ્રોડક્ટમાં જ રાખે તો લક્ષ્મી વધારે આવે, પણ આ તો લક્ષ્મીના હેતુ માટે લક્ષ્મીનું કરે છે તેથી લક્ષ્મી આવતી નથી. માટે આ તમને હેતુ કહીએ છીએ કે આ હેતુ ગોઠવો ‘નિરંતર સેવાભાવ.’ તો બાય પ્રોડક્ટ એની મેળે જ આવ્યા કરશે. જેમ બાય પ્રોડક્ટમાં કશી મહેનત કરવી નથી પડતી, ખર્ચો નથી કરવો પડતો, એ ફ્રી ઓફ કોસ્ટ (મફત) હોય છે, એવું આ લક્ષ્મી પણ ફ્રી ઓફ કોસ્ટ મળે છે. તમારે આવી લક્ષ્મી જોઈએ છે કે ઑન (ઉપર)ની લક્ષ્મી જોઈએ છે ? ઑનની લક્ષ્મી નથી જોઈતી ? ત્યારે સારું ! આ ફ્રી ઓફ કોસ્ટ મળે એ કેવી સારી ! એટલે સેવાભાવ નક્કી કરો, મનુષ્યમાત્રની સેવા. કારણ કે આપણે દવાખાનું કર્યું એટલે આપણે જે વિદ્યા જાણતા હોય તે વિદ્યા સેવાભાવમાં વાપરવી, એ જ આપણો હેતુ હોવો જોઈએ.

જ્ઞાનીની સેવામાં આવે ઉકેલ

કૃપાળુદેવે કહ્યું કે ‘જ્ઞાની પુરુષની તન-મન-ધનથી સેવા કર્યા વગર મોક્ષ નથી.’ હવે જ્ઞાની પુરુષને ધન શું કરવું છે ?

પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષને ને ધનને કંઈ કનેક્શન (સંબંધ) જ નથી લાગતું.

દાદાશ્રી : ત્યારે તનની સેવા એમને શું કરવી છે ?

પ્રશ્નકર્તા : તનથી તો એ નોખા છે. આ તો સામાના ભલા માટે છે.

દાદાશ્રી : તમારા પોતાના માટે કરવાનું છે. ધનને શું કરશો ? લોભની ગાંઠ તમારી તૂટે એટલે જ્ઞાની કહે એ સારી જગ્યાએ પૈસા નાખો, એટલે આવતે ભવ તમને કામ લાગશે અને અત્યારે લોભની ગાંઠ છૂટે. સારી જગ્યાએ નાખો એટલે આવતા ભવનો એ ઓવરડ્રાફ્ટ નહીં ? કે વાપરી ખાઈએ તે ઓવરડ્રાફ્ટ ? આપણે મોજમઝામાં

(પા.૭)

વાપરી ખાઈએ તે ઓવરડ્રાફ્ટ ગણાય ? ત્યારે એ રેસમાં નાખી આવે તે ઓવરડ્રાફ્ટ નહીં ?

પ્રશ્નકર્તા : એ ઊંધો ઓવરડ્રાફ્ટ થઈ ગયો.

દાદાશ્રી : એ બધું ગટરમાં ગયું. તમે જેટલું વાપરશો એ બધું ગટરમાં. માટે ભગવાને આ પ્રમાણે કહ્યું કે સારી જગ્યાએ નખાવડાવ ! એટલે લોભની ગાંઠ તૂટી જશે. પછી ચિત્ત એમાં ને એમાં રહે. પછી ‘આપણું’ ગાડું ચાલ્યા કરશે, હરકત આવે નહીં. અને જેણે કોઈ પણ સારી જગ્યાએ પૈસા નાખ્યા, એને દુઃખ આવે જ કેમ કરીને ? દુઃખ એને માટે રાહ ના જોતું હોય. કોના માટે રાહ જુએ ? જે પોતાના હારુ વાપરે છે, તેને માટે દુઃખ રાહ જુએ છે.

જે કોઈ આત્મા જાણે ને આત્મજ્ઞાનીની સેવામાં પડે એનો ઉકેલ આવી જાય.

માંડો મહાત્માઓની સેવાનો યજ્ઞ

પ્રશ્નકર્તા : આપે કહેલું ને કે જે જ્ઞાનીની સેવા કરે છે તેની સેવા કરો એ જ્ઞાનીની સેવા કર્યા બરોબર છે અને મહાત્માઓની સેવા કરો એ જ્ઞાનીની સેવા કર્યા બરોબર છે ?

દાદાશ્રી : બધી ભૂલો ભાંગવા કાં તો (જ્ઞાનીની અને મહાત્માઓની સેવા કરવી એવો)યજ્ઞ માંડવો પડશે અથવા સ્વ-પુરુષાર્થ કરવો પડશે. નહીં તો આમતેમ દર્શન કરી જાવ તો ભક્તિનું ફળ મળે પણ જ્ઞાનનું ફળ ના મળે.

બને તો આપણા મહાત્માઓ પાછળ ખૂબ જ ખર્ચો કરવો, કસર જ નહીં કરવાની. કારણ કે બીજા જાગતા દેવ હોતા નથી. જાગતા દેવ તો આ જ છે ! ફરી આવો ચાન્સ (મોકો) ના મળે. કારણ કે જેને કશું લેવાય નહીં ને દેવાય નહીં. એટલે આ મહાત્માઓની સેવા થાય ને, એ ઘણું ઉત્તમ કહેવાય.

કારણ કે બીજા જાગતા દેવ કોઈ જગ્યાએ દેખાતા નથી. જીવતા જાગતા દેવ આટલા જ છે કે જેને મારું-તારું કશું રહ્યું નથી હવે.

આ સત્સંગ ભરાય છે, ઘેર-ઘેર બધા જમાડો છો, તો તે દા’ડે કેટલો આનંદ થાય ?

પ્રશ્નકર્તા : જબરદસ્ત.

દાદાશ્રી : એવો આમને કેટલો આનંદ થયો હશે! રોજ જલેબી બનાવવાની અને ફલાણું બનાવવાનું, ફરી ફરી આવો તાલ મળે નહીં.

સેવા, જીવતા-જાગતા દેવની

પ્રશ્નકર્તા : અહીં મહાત્માઓ, બધા મહાત્માઓને સરસ સાચવે.

દાદાશ્રી : એટલે જ કહું છું ને, જેથી લોકો બધા સેવા કર કર કર્યા કરે. આપણે જે મળ્યું એ, ઓછું હોય તો ઓછું પણ જમાડો. કો’ક ચા પાઓ છેવટે. ચા ના થાય તો પાપડ ખવડાવી દો.

આ તો દેખાતા દેવ ને જલેબી ખાતા હોય પાછા. ચાર ચકતા ખઈ ગયા હોય અને બીજા બે મૂકીએ તો ખાય, એવા દેવ.

પ્રશ્નકર્તા : અને ખવડાવે હઉ આપણને. પોતે લઈને આપણને હઉ ખવડાવી દે.

દાદાશ્રી : હા, ખવડાવી દે.

પ્રશ્નકર્તા : દાદા, મહાત્માને જમાડવાની તો ભાવના મારામાં પહેલેથી છે, પણ આજે આપે બહુ સરસ ઉઘાડ કર્યો, કે જાગતા દેવ છે.

દાદાશ્રી : જાગતા દેવ, સાચા દેવ. જેને કશું જોઈતું નથી, એ દેવ કહેવાય બધા.

પ્રશ્નકર્તા : તો પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, દરેક મહાત્માનો જો, ભૂતકાળમાં જે દોષ થયો હોય અથવા વેરોઆંતરો થયો હોય...

(પા.૮)

દાદાશ્રી : ના, ના. આપણે ત્યાં તો કાયદો છે ને, વેરોઆંતરો જે જુએ ને, એ મહાત્મા જ ન હોય. દેખીતો આમ દેખાય છતાં પણ વેરોઆંતરા તરીકે તો જોવાનું હોય જ નહીં. વેરોઆંતરો તો ત્યાં જોવાનું હતું, આપણે પેલી મિથ્યાદ્રષ્ટિ હતી ત્યારે. અત્યારે તો આપણને જે પ્રાપ્ત મળ્યું એ કરેક્ટ, એ જ વ્યવસ્થિત. પાપડ આપ્યો તોય શું અને ના આપ્યો તોય શું ? દાદા હારુ જલેબી બનાવી અને મહીં કોઈને બે ચકતા આપ્યા તોય શું અને ના આપ્યા તોય શું?

પ્રશ્નકર્તા : અમારે ત્યાં તો મેં કોઈ વસ્તુ દાદા માટે, એકલા માટે બનાવી જ નથી.

દાદાશ્રી : બરોબર છે.

પ્રશ્નકર્તા : બધું જ, જલેબી-મીઠાઈઓ બધા જ માટે બનાવવાની.

દાદાશ્રી : બનાવો તોય વાંધો નહીં, ના બનાવો તોય વાંધો નહીં.

પ્રશ્નકર્તા : દાદા, અમુક મહાત્માના ઘરમાં એવું થતું જ નથી...

દાદાશ્રી : ના થતું હોય એવો રોફ ના મારવો. રોફ મારવામાં કો’ક દહાડો રોફ ઉડાડી દેશે પાછા. એના કરતાં જે બન્યું એ કરેક્ટ. આપણે બનતાં સુધી આવું ના થાય તો સારું, અને થાય તો વાંધો નહીં.

પ્રશ્નકર્તા : આપણે હવે બધું મહાત્મા માટે કરવાનું. હવે તો કરકસર નહીં કરીએ, આપે ‘જાગતા દેવ’ કીધા મહાત્માઓને. પણ અમારાથી કોઈ વાર મહાત્મા-મહાત્માની કશી નેગેટિવ વાતો થઈ જાય, એ બધાની હવે માફી માંગી લઈએ.

દાદાશ્રી : એ તો યાદ કરીને આપણે માફી માંગી લેવાની. જ્યાં સુધી હજુ કાગળ પોસ્ટમાં નાખ્યો નથી, ત્યાં સુધી કાગળમાં છેકો મારી શકાય. એનો એ જ જન્મ છે ત્યાં સુધી બધું ચોખ્ખું કરી શકાય. જન્મ બદલાય તો (ફેરફાર કરવાનું) બધું ઊડી જાય.

કાર્યથી નહીં, ટચથી પ્રભાવિત થાય

પ્રશ્નકર્તા : એક વાત જરા, હૃદય ખોલવાનું મન થાય છે કે આપની ઉજવણીના પ્રસંગો બધા ઊજવાય, જન્મદિવસ ઊજવાય છે, એ ઉજવણી કરનારાના બહુ અતિશય ભાવો હોય છે, આવનારના પણ અતિશય ભાવો હોય છે. પણ છેક છેલ્લા ટાઈમે એવું થઈ જાય છે કે કોઈ વ્યવસ્થા સચવાતી જ નથી બિલકુલ, ગેરવ્યવસ્થા એવી થઈ જાય છે કે અમે કોઈ માણસને બહારથી જે બોલાવીએ છીએ કે ‘આવો, આ પ્રસંગે આવો’, તો આ ગેરવ્યવસ્થા જોઈને એ કંઈક જુદા વિચારો લઈને જતા રહે છે.

દાદાશ્રી : ખરી વાત છે.

પ્રશ્નકર્તા : દાદા, એટલે હવે એને માટે શું કરવું ?

દાદાશ્રી : એવું થઈ જાય, એનું કારણ શું કે આમાં જશ ને અપજશની પડેલી નથી. આ તો સમભાવે નિકાલ કરે છે. એટલે બહાર ખરાબ દેખાશે કે નહીં એ પડી નથી.

પ્રશ્નકર્તા : દાદા, આ તો બહુ ઊંડી વાત છે !

દાદાશ્રી : એ હું જાણું ને, કે આ શાથી નથી થતું. તો હવે આમાં શી રીતે પહોંચી વળવું ? એ સ્વભાવ તો છૂટવાનો જ નથી ને ! એને છોડીને આપણે શું કામ છે ? જે બન્યું તે કરેક્ટ. એના બીજા ફાયદાય હશે ને ! નિકાલ કરીને હેંડે એટલે પછી આ બાજુ જોવાનું નહીં. અને પેલામાં તો ઠેઠ સુધી એવું હોય કે મારું નામ વગોવાય, મારું એ થાય, ખરાબ દેખાઈશ. સમજાયું ને આ ? મૂળમાં આ ખોડ છે.

(પા.૯)

પ્રશ્નકર્તા : દાદા, આનાથી તો ઘણો ઘણો અમને ઉઘાડ થયો, આ વાતથી તો.

દાદાશ્રી : એટલે હું સમજી ગયેલો કે આ ખોટું શું છે તે ! તેને ધકેલવા કરેલું, પણ આ ખોડ શું છે તે અમે સમજી ગયેલા. પણ એ ખોડ તૂટે એવી ન્હોતી.

પ્રશ્નકર્તા : એ ખોડ તૂટે એવી નથી પણ એના પ્રમાણમાં લાભ તો અતિશય છે, એ વાત બરાબર છે.

દાદાશ્રી : હા, આપણે કામ સાથે કામ છે ને ! આપણે કંઈ કીર્તિ ને આબરૂ વધારવી છે ?

પ્રશ્નકર્તા : પણ દાદા, અમારા પેલા સંસ્કારો લઈને આવેલા ને, તે એ સંસ્કારો કેટલીક વખત એવા ઊંચા થાય કે બહારના માણસોને લાવેલા છે તે એ લોકો પણ પ્રભાવિત થાય.

દાદાશ્રી : એ પ્રભાવિત થવાથી કંઈ એ સુધરી જાય છે, એવું કશું હોતું નથી. એ તો ખાલી ટચ થાયને આ મહાત્માઓનો તોય બહુ થઈ ગયું. પ્રભાવિત એટલે આમના કાર્યથી પ્રભાવિત થાય, એનો અર્થ જ નહીં ને ! પાસે આવ્યો ને, એ પ્રભાવિત જ થઈ જાય.

પ્રશ્નકર્તા : હવે એ જ્યાંથી આવે છે, ત્યાં આગળ બીજું કશું નથી હોતું પણ વ્યવસ્થા અને ડિસિપ્લિન (શિષ્ટાચાર) એ લોકોની ટોપ હોય છે.

દાદાશ્રી : બીજે બધેય હોય, અહીં એકલું ડિસિપ્લિન ના હોય.

પ્રશ્નકર્તા : આ તો બહુ હૃદયની વાત કરી છે. પણ બીજે કોઈ પ્રસંગમાં ગયા હોય તો ત્યાં જોઈએ છીએ ત્યારે એ લોકોની જે ડિસિપ્લિન હોય છે....

દાદાશ્રી : એ બધી બનાવટ છે ને અહીં બનાવટ ના હોય ને !

ન જોશો ડિસિપ્લિન, પણ જો જો વીતરાગતા

પ્રશ્નકર્તા : પણ દાદા, અહીંયા એવું બને છે કે કોઈ વ્યક્તિને કોઈ કામ સોંપેલું હોય અને દાદાને જોયા એટલે કામ બાજુ ઉપર મૂકીને ત્યાં જતા રહે છે, હવે એનું શું કરવું ? તો એવું મારામાં ના થવું જોઈએ ને કે આ દાદાનું કામ હું કરી રહ્યો છું તે દાદા જ છે અહીં આગળ અને મારે ન જવું જોઈએ ત્યાં આગળ.

દાદાશ્રી : એવું દરેકની પ્રકૃતિ ના હોય ને !

પ્રશ્નકર્તા : દાદા, પણ આ તો સર્વાંશ એવું થયું છે, પેલી ગોપીઓની માફક થઈ ગયું છે. આ તો ગોપીઓની માફક ધણી ને એનું ઘર-બર બધું મૂકીને એકદમ દોડતી દોડતી બધી જાય, એવી બધાની દશા થઈ ગઈ છે !

દાદાશ્રી : આ આમ જ હોય. આ જે છે ને, એ જ ન્યાય છે. સહુ સહુની પ્રકૃતિ પ્રમાણે છે. કોઈ એકલો ભાત જ ખાતો હોય એ કહે કે હવે ભાત જ ખવડાવો બધાને, તો શું રહે ? ભાત આપણી પાસે આવે ભાગે ! એ બધું હિસાબ છે તે પ્રમાણે ! અને આપણે કોઈને તેડી લાવીએ ને, તેનેય કહી દેવું કે આ લોકોને એવી કંઈ કશી પડેલી નથી. એટલે છેવટે આવું હોય, તેવું હોય, તેને જોશો નહીં. જોવા જેવી છે વીતરાગતા એમની પાસે. હા, અહીં તો આવું જ હોય.

પ્રશ્નકર્તા : પણ ડિસિપ્લિન રાખવાથી નુકસાન શું છે ? શા માટે ના રાખવી જોઈએ ?

દાદાશ્રી : એને માટે કર્તા આત્માને મૂકવો પડે.

(પા.૧૦)

પ્રશ્નકર્તા : કર્તા મૂકવો પડે ત્યાં આગળ અને એ તો આ જ્ઞાનમાં શક્ય જ નથી.

દાદાશ્રી : અને પેલું તો જે છે એ નીકળે છે.

પ્રશ્નકર્તા : આ શંકાનું સમાધાન થઈ ગયું, દાદા. પણ આ પેલા સંસ્કારો છે તે એને ગોદ-ગોદ કર્યા કરે છે.

દાદાશ્રી : આ છે એ બરોબર છે. અમેય હિસાબ કાઢી નાખેલો ને, પહેલાં અમને મનમાં એમ લાગેલું કે આવું અવળું કેમ થાય ? પછી કાઢી નાખેલું આ. આ તો નિવેડો લાવવાનો છે. અહીં તો વીતરાગતા જોવાની છે, પ્રેમ જોવાનો છે. આ લોકોની પ્રકૃતિ કેવી છે, એ કહી દેવી પહેલેથી. ત્યાં તો વીતરાગતા જોવી હોય તો આવો, કહીએ.

આપણી ભાવના જોઈએ, ક્રિયા નહીં

પ્રશ્નકર્તા : દાદા, એનો અર્થ આપણે આ પ્રસંગ થાય, એને પહેલા આપણે પ્લાનિંગ (આયોજન) કે સિસ્ટમેટિક (પદ્ધતિસર) ગોઠવવાનું ન કરવું જોઈએ ?

દાદાશ્રી : પ્લાનિંગ કરે તોય વાંધો નહીં. પણ તે હોય એટલો જ માલ નીકળવાનો ને, બીજો નીકળવાનો નહીં ! પ્લાનિંગ કરો ને તોય એની પાસે જે માલ છે એટલો જ નીકળવાનો. નવો અહંકાર ઊભો થાય નહીં ને !

પ્રશ્નકર્તા : પણ દાદા, એવું થાય છે કે આ વ્યવસ્થાનું મને કામ સોંપ્યું કે તમારે અહીં આગળ ઊભા રહેવું અને જે કોઈ મહાત્મા કે બહારના માણસો આવે, તેને તમારે અહીં આ પ્રમાણે ગાઈડ (માર્ગદર્શન) કરવા. પણ હું દાદાને જોઉં છું ને, એટલે વ્યવસ્થાને ત્યાં વ્યવસ્થિતને સોંપી દઈને, ટોળામાં ભળી જઉં છું દાદાની સાથે.

દાદાશ્રી : એ તો વાજાંવાળાને જ્ઞાન આપી દો ને, તો વાજાંવાળા હઉ આવતા રહે. હું કહું આપણે તો આ વટેમાર્ગુ જુદી જાતના છે અને પેલા જુદી જાતના છે !

પ્રશ્નકર્તા : દાદા, એ વાત આપની તો હૃદયમાં બેસી ગઈ છે.

દાદાશ્રી : એટલે લોકો મને કહે કે ‘તમારા ભક્તો એડવાન્સ થયેલા નથી.’ ત્યારે મેં કહ્યું, ‘એડવાન્સ હજુ થવાના છે.’ આપણે તો મોક્ષ સાથે કામ છે ને, આપણે બીજું કશું કામ જ નહીં ને !

પ્રશ્નકર્તા : લોકકલ્યાણ કરવા માટે જ્યારે આપણે નીકળીએ છીએ ને, એ આપણી જે ભાવના છે, તો પછીથી આની અંદર એ હિસાબે જે બધા લોકો આવે છે, એ જો આવી વ્યવસ્થાનો આવો ભાગ જોઈ જાય, તો લોક કલ્યાણની પ્રવૃત્તિને પછી વેગ મળે કે પછી ત્યાં આગળ અમારે બીજો કંઈક વિચાર કરવો પડે ?

દાદાશ્રી : આપણી ભાવના જોઈએ, લોકકલ્યાણની ક્રિયા નહીં. આ બીજી ક્રિયા તો મહીં જે માલ ભરેલો છે તે જ નીકળશે. માલ ભરેલો તે નીકળે કે બીજો ?

પ્રશ્નકર્તા : એ જ નીકળે ને, દાદા. પણ એક પ્રશ્ન એ થાય છે કે જ્યારે આવું સંમેલન ભેગું થાય, જ્યારે બધી પ્રકૃતિઓને આપણે ભેગી કરીએ છીએ, આ બધું થાય છે, તો વ્યવસ્થા જેવી વસ્તુનો આપણે વિચાર ન કરવો જોઈએ કે પછી એ વ્યવસ્થિત જ ગણવું ?

દાદાશ્રી : છે જ વ્યવસ્થિત. જેટલી લાઈનો ચીતરશો એ બધી ભૂંસી નાખવી પડશે પાછી. આપણે ચીતરી ને આપણે ભૂંસવાનું થશે. પણ ભૂંસવું સારું એક ફેરો. એ ફરી ભૂલ ના થાય ને એવી.

(પા.૧૧)

જોવા જેવી દુનિયા

પ્રશ્નકર્તા : બાકી એક વસ્તુ નિર્વિવાદ છે કે આપના પ્રસંગની અંદર જે બધા આવીને બેસે છે અને પછી એ જે આપને સાંભળે છે ને, તે વખતે જે બધાનો ઉલ્લાસ હોય છે ને ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો’ બોલે છે, એ જોઈને ભલભલા માણસો ચકિત થઈ જાય છે !

દાદાશ્રી : એને આવું જોવામાં જ ના આવ્યું હોય ને !

પ્રશ્નકર્તા : એ બાબતમાં કશું કોઈને કહી શકાય એવું નથી.

દાદાશ્રી : આવી દુનિયા જ જોવામાં ના આવી હોય !

પ્રશ્નકર્તા : પણ દાદા, એ બધું અમે જ્યાં સુધી બધાને લાવીએ કે હવે આ બધું જુઓ, તો પહેલાં જે પેલું વાંચેલું છે ને, ત્યાં મુશ્કેલી પડી જાય છે.

દાદાશ્રી : એ તો એમને કહી દેવું જોઈએ કે આ માલ આવો છે. અહીં વીતરાગતા જોવા જેવી છે અને ખાસ અડચણ આવે તો મને કહેજો કહીએ, બસ. આ ટોળું જુદી જાતનું છે અને તે ટોળું સરસ કામ કરે છે ને ! જુઓને, ત્યાં જમતું હતું તે કકળાટ-બકળાટ છે કશું, કોઈ જાતનું ? કકળાટ-બકળાટ હોય નહીં.

પ્રશ્નકર્તા : તો આવા જે અમને ઉછાળા આવે છે, આ સંસ્કારને લીધે તો એનું શું કરવું ?

દાદાશ્રી : આ બધો ભરેલો માલ છે. બીજાને ભરેલું ના હોય. કશું કરવાનું રહ્યું નહીં. મહીં જે છે એ થશે, નવું આવવાનું નથી.

પ્રશ્નકર્તા : દાદા, એ ખરું, પણ આ બધું પી.એચ.ડી.ની વાત થઈ. પણ આપણે તો પાછા આ બધા પાઠશાળાવાળાઓને ભેગા કરીએ છીએ ને, આ પ્રસંગે. દાદાનું વિજ્ઞાન બધા સમજે, દાદાનું વિજ્ઞાન બધા સાહિત્યકારો સમજાવે, હવે પી.એચ.ડી.નું એમની પાસેથી વર્તન કેવી રીતે એક્સ્પેક્ટ થઈ શકે ?

દાદાશ્રી : એમને કહી દેવું કે ‘ભઈ, અહીં વીતરાગતા જોવા જેવી છે.’ જે બહાર જગતમાં જોશો, એના કરતાં જુદી જ જાતનું જોવામાં આવશે. અહીં પ્રેમ જોવાની જરૂર છે. તમે બીજું ખોળશો, એનો ઉકેલ ના હોય.

ડેવલપ માઈન્ડ, બધાને સમાન ગણે

પ્રશ્નકર્તા : મોટા પ્રોગ્રામમાં બધા સાથે હોય ને, તો અમુક ગામવાળા હોય તે પોતાના ગામવાળાને મદદ વધારે કરે, ગરમ પાણી વહેલું આપે, ચા આપી દે, પેલો હોય તે પોતાના ગામવાળાને હેલ્પ કરે ને આ છે તે એના ગામવાળાને મદદ કરે. આ ભાવો કેમ છે ને એ ભાવ શું નુકસાન કરે ?

દાદાશ્રી : એ ખેંચાખેંચ કરે જ બધે. એ ખેંચાખેંચ ઘર સુધી હોય. એ તો મનુષ્યનો સ્વભાવ, એમાં જે મોટા મનના હોય ને, એ મોટા માણસ કહેવાય. બાકી જેટલા હલકા મનના હોય ને, તે તો પોતાના ઘરમાંય ખેંચે. અરે, બઈ જોડેય હઉ ખેંચે, ‘તમારું નહીં, આ અમારું’, કહે. એ તો હલકું મન કહેવાય. ડેવલપ માઈન્ડ હોય ને, તે મોટું મન હોય, બધાને સમાન ગણે. એવું ચાલે છે ને મહીં ?

આપણે બહુ ધ્યાન રાખવું નહીં. જેનું મન પાતળું હોય તેને શું કરશો? એનેય મોક્ષે જવું છે પણ મન પાતળું છે એનું. શું કરો તમે દવા પછી એની ?

(પા.૧૨)

પ્રશ્નકર્તા : પણ હું જોયા કરું.

દાદાશ્રી : બસ, ફક્ત જોયા જ કરવાનું.

પ્રશ્નકર્તા : પણ મને એમ થાય કે આ ના હોવું જોઈએ.

દાદાશ્રી : ના હોવું ને હોવું જોઈએ એ બુદ્ધિના ખેલ છે. બન્યું એ કરેક્ટ ! અમે હઉ ‘બન્યું એ કરેક્ટ’ કહીએ છીએ ને !

જ્ઞાની માટેય ખેંચાખેંચ

પ્રશ્નકર્તા : ઘણા લોકો એમ કહે કે ‘ના, દાદાજી અમારે ત્યાં રહેશે.’ પેલા કહે, ‘દાદાજી અમારે ગામ જ રહે.’ પેલો બીજો કહે, ‘ના, અમારે ત્યાં વધારે રહે’, એ ખેંચાખેંચ જ ને !

દાદાશ્રી : હા, એવું હોય જ ને પણ, એ તો સ્વાભાવિક રીતે હોય જ. અમે દરેકને કહીએ કે ‘આ વીક (અઠવાડિયા)માં આવીએ છીએ.’ પણ અમે વ્યવસ્થિત પર છોડી દઈએ. વ્યવસ્થિતમાં જે બનશે એ ખરું. વ્યવહારેય તમે વ્યવસ્થિત ઉપર છોડી દો ને, તો કોઈ ઉપાધિ જ નહીં. કારણ કે આ લોકો બૂમાબૂમ કરે છે તે એમાં એ પ્રમાણે થતું નથી કશું ! થાય છે વ્યવસ્થિતના આધીન, તો પછી કચકચ કરવાની જરૂર શું છે ?

પ્રશ્નકર્તા : કશી નહીં.

દાદાશ્રી : જે કચકચ કરતા હોય, તે જોયા કરવું.

પ્રશ્નકર્તા : અને મારાથી કચકચ થઈ જાય તો મારે પ્રતિક્રમણ કરી લેવું ?

દાદાશ્રી : તો તમારે જોવું. ‘ચંદુભાઈ શું કચકચ કરે છે !’ તે આપણે તો એમને જોવાનો રિવાજ રાખવો. ચંદુભાઈ કચકચ કરે તો એને પણ જોવું અને જો પેલા ભાઈ કચકચ કરે તો એમણે એમની ફાઈલ નંબર વનને જોવું. દરેકે પોતાની ફાઈલ નંબર વનને જોવી. જોવાનો ધંધો સારો આપણો.

પ્રશ્નકર્તા : પોતપોતાનું ખેંચે, એ ખોટી રીત ને સાચી રીત ખરી? એમાં ન્યાય-અન્યાય જેવું ખરું ?

દાદાશ્રી : ના, અન્યાય ના કહેવાય. એ તો સ્વભાવ છે બધો મનુષ્યનો. એમાં આપણે જોયા કરવાનું. મેં કહ્યું ને કે ઘર સુધી ખેંચે.

પ્રશ્નકર્તા : પણ એ સ્વભાવ જાહેરમાં દેખાય તો...

દાદાશ્રી : પણ આ ખોટું દેખાય ને, એ માણસ ખોટો દેખાય. મોટા માણસ સમજી જાય કે આ માણસ ખરાબ છે. એવું હોવું જોઈએ નહીં, પણ એ તો બહાર પડે જ, બધું પડે.

પ્રશ્નકર્તા : પણ એવું છે ને કે જો કોઈ નવા જીજ્ઞાસુ ભાઈઓ આવે...

દાદાશ્રી : તેમને અવળું દેખાય તોય પણ એ અવળું કોઈ દહાડો સવળું થશે. પણ આની જોડે બૂમાબૂમ કરવાથી એનો કંઈ ઉપાય નથી. જેનો ઉપાય નથી એને લેટ-ગો (જતું) કરવું.

સૌ સૌના સ્વભાવમાં છે, કોઈને કોઈની જોડે વેર નથી. વરસાદ વરસાદના સ્વભાવમાં છે. કેટલાંકને ના ફાવતું હોય ને કેટલાકને ફાવે, પોત પોતાનો સ્વભાવ છોડતા નથી. આને વગાડીએ તો વાગે ને કોઈને ગમતું ના હોય તોય વાગે.

અમે ફૂલોને જોઈએ, કાંટાને ના અડીએ

આ જગતમાં જે થાય તે પ્રકૃતિના ગુણોથી થાય છે, આત્માના ગુણોથી નથી થતું. માટે દરેકે પ્રકૃતિના ગુણોને ઓળખી લેવા જોઇએ. પ્રકૃતિના

(પા.૧૩)

દોષથી સામેવાળો દોષિત લાગે. આપણે પોતે પ્રકૃતિના ગુણોને જ જોવાના. એથી શું થાય કે ‘પેલા’ દોષોને જાડા થવાનો અવકાશ જ ના મળે.

અમારે આટલા બધા હજારો મહાત્માઓ છે છતાં બધા સાથે કેમ ફાવે છે ? કારણ કે બધી પ્રકૃતિઓ ઓળખીએ. એના કાંટાને અમે ના અડીએ, અમે તો એના ફૂલોને જ જોઇએ.

જો ચંપો, ગુલાબની ભૂલ કાઢે કે ‘તારામાં કાંટા છે, તારામાં ભલીવાર નથી’, તો ગુલાબ એને કહેત કે ‘તું તો ઠૈડ (નિસત્ત્વ) જેવો દેખાય છે’ ને ઝઘડો થઇ જાય. અને જો બગીચામાં આ પ્રકૃતિઓ બોલતી હોત તો આખા બગીચામાં વઢંવઢા થઇ જાય. તેમ આ સંસાર બગીચો જ છે. આ પ્રકૃતિ બોલે છે, તેથી બીજાની ભૂલ કાઢીને વઢંવઢા થઇ જાય છે.

દાદાનું કામ કર્યે જાવ

એટલે આ બધી પીડામાં નહીં પડવું. આપણે આપણા કામ સાથે કામ રાખો ને, બધું કુદરત જ કરી રહી છે. આ તો બધું આપણે કંઈક કહીએ, એવું થવાનું નથી ? આપણે જ્ઞાન હાજર કરવું, બોલવું કે આમ કરો.

તેથી હું કહું છું ને, ભાઈ, આ બધાંની ભાંજગડો તમે ના કરતા. તમે કામ કર્યે જાવ. જાણે પારકું કામ હોય ને, એવી રીતે કર્યે જાવ. દાદાનું કામ હોય એ રીતે તમારી મેળે કર્યે જ જાવ. બીજી કશી ભાંજગડ ના રાખશો. એ તો બુદ્ધિથી માપવા જાય ને, ત્યાં સુધી કશું જડે જ નહીં આપણને. તેથી આ ‘વ્યવસ્થિત’ મેં આપેલું ને કે ચિંતા કરશો નહીં, કામ કર્યે જાવ અને કામ કેવું ? જાણે દાદાએ સોંપેલું હોય એવું. એ ફાવે કે ના ફાવે ?

પ્રશ્નકર્તા : ફાવે ને !

સેવા માટે ખેંચ એ જ રોગ

પ્રશ્નકર્તા : આપે કશું કોઈને સેવા સોંપી હોય અને મને ના ગમી હોય તો તરત મહીં ઊભું થાય !

દાદાશ્રી : ‘ના ગમે’ શબ્દ બોલ્યો, ત્યાંથી જ એ ચક્કરમાં પડ્યો. ‘ના ગમે’ એવું બોલાય નહીં. એ શબ્દ ડીક્શનરી (શબ્દકોશ)માં ના હોવો જોઈએ. ‘ના ગમે’ એ તો એક જાતની જેલ છે, હાથકડી છે. ‘ના ગમે’ એવું બોલ્યા એટલે હાથકડી પડી.

‘મને ના ગમ્યું’ કહે, તે ચંદુલાલને વઢવા કે તમને બે ધોલ મારીશ. ‘મને ના ગમ્યું’ એવું બોલે, તે આવું બધું ગાંડું જ બોલે છે ! મેડ જ લાગે છે મને.

પ્રશ્નકર્તા : પછી મન પણ મહીં અવળું બતાવે.

દાદાશ્રી : અરે, બતાવે તો તમારું શું ગયું તે ? તમે શુદ્ધાત્મા, જોનાર તમે અને એ દેખાડનાર.

પ્રશ્નકર્તા : પછી હું ચંદુભાઈને લડું.

દાદાશ્રી : લડ લડ કરતાં હોય તો છૂટું પડી જાય. અમારી સમજ એવી છે ને, એ જો પકડી લેતા હોય તો મહીં છૂટું થઈ જાય. એ તો મહીં બોલે છે, તે એ જ કહે છે કે મને આવું થઈ ગયું. એટલે પછી એકાકાર થઈ જાય તરત.

આ તો ચંદુલાલ કહે છે, તેમાં પોતે પરિણામ પામે છે. આપણે તો ચંદુલાલ કહે છે, તેને ‘જોયા’ કરવું જોઈએ. અને ચંદુલાલને વઢવું જોઈએ ઊલટું કે ‘શું આ ખેંચાખેંચ કરે છે તે ? શરમ નથી આવતી ?’ આ તો બધાની પાસે હું આમ કરી લઉં, હું આમ કરી લઉં. એને એ પોતાને જીતેલો માને છે. આપણે વારેઘડીએ ઠપકો આપવો, ચંદુલાલ કરતા હોય તે.

(પા.૧૪)

પ્રશ્નકર્તા : ચંદુલાલ ખેંચ રાખે તો ભલે રાખે, આપણે છૂટા રહીએ તો શું વાંધો છે ? પોતે ખેંચથી છૂટા થઈ જાય ને, તો ખેંચ એની મેળે ખરી પડે.

દાદાશ્રી : એ થઈ જાય છે, એવું જ છે. પણ આ તો તમારા મનમાં એમ કે ‘આ બધાને ના કરવા દઉં, હું કરી લઉં. આમ હું કરી લઉં.’ પણ હું કરતાં કરતાં ચંદુલાલ થઈ જાવ છો તમે !

પ્રશ્નકર્તા : પોતે ચંદુલાલ જ થાય છે તે ઘડીએ.

દાદાશ્રી : આ ખેંચ છે તે જ રોગ છે બધો. ખેંચ છોડી દે ને, તો બધું એમનું રાગે પડી જાય. ખેંચ છોડી દેતા’તા ત્યારે રાગે પડી જતું ને ખેંચ પકડી કે ભેગું થઈ જાય ! એ ખેંચ તોડાવવા હારુ તો અમે બીજાને કહીએ કે ‘તું આ કરજે.’ જ્યાં સુધી ખેંચ છે ત્યાં સુધી ચંદુલાલ. ખેંચ છૂટી કે તરત આત્મા. આપણે તો દાદા પાસે રહેવાનું થયું તે જ અજાયબી છે ને ! તમને સમજાય છે બધું આમાં ? કશું કામનું છે?

પ્રશ્નકર્તા : બધું કામનું જ છે. મને એવું થાય કે આ ખેંચ કરે છે, એટલું મને સમજાય છે. પણ પછી પહેલાંની બિલિફો પડેલી છે ને...

દાદાશ્રી : અરે, બિલિફો કોને પડી છે પણ તે ? બળ્યું, એવું ને એવું બોલો છો, આત્મા તરીકે જુદા પાડી આપું છું તોય !

પ્રશ્નકર્તા : મને મહીં એટલું સમજાય છે કે આ ખોટું થઈ રહ્યું છે, અને એક વખતે મને એવું પણ લાગે કે હું ચંદુલાલથી જુદો છું. પણ છતાં મને એવું બધું પાછું ભેગું થઈ જાય છે.

દાદાશ્રી : તમે ચંદુભાાઈને વઢતા હોય તો બધું છૂટું પડી જાય. વઢવાડ થઈ ત્યાંથી જ દ્રષ્ટિ સામાસામી થઈ જાય. એટલે વાતચીતમાં ખેંચ કરતા હોય તો ‘ચંદુલાલ, શું ખેંચ ખેંચ કરે છે ? તારામાં જાનવરપણું છે કે શું ? એમાં ખેંચાખેંચ શું કરો છો તે ? બહાર કેવું દેખાય ?’ એવું બરોબરના વઢતા હોય તો શું ખોટું ? ‘દાદા કહે છે તો તમે વિચાર તો કરો’, કહીએ ને! અને દહાડામાં પાંચ-પચ્ચીસ વખત વઢી કાઢતા હોય તો છૂટું પડી જાય, આ અમારું વચનબળ છે.

પ્રશ્નકર્તા : તમે વઢવાનું કહ્યું ને, ત્યારથી વઢવાનું ચાલુ થઈ ગયું છે.

દાદાશ્રી : સારું થયું એ. એટલે ચંદુભાાઈને વઢવાનું થયું એટલે પોતે આત્મા થઈ ગયો.

પ્રશ્નકર્તા : હું તો છોલાટી જ કાઢું. પછી આમ સરસ રહે, પછી છૂટું રહે.

દાદાશ્રી : આત્મા છૂટો રહે.

પ્રશ્નકર્તા : પાછું સારું કરે તો ધીમે રહીને કહેવુંય પડે કે ‘તમે આ સારું કર્યું.’

દાદાશ્રી : તેય કહેવું પડે, નહીં તો પછી બહુ રિસાય, એય ખોટું. પછી આમેય કરવું પડે. કહેવુંય ખરું કે ‘દાદાને રાજી રાખ્યા, તમે ઘણું સારું કર્યું.’

એક ફેરો જુદું પાડ્યા પછી ચંદુલાલ સેવા કરે, એનું ફળ મળ્યા કરે. ચંદુલાલ ‘આ’ પક્ષમાં આવી જવા જોઈએ. બસ, ત્યાં સુધી જુદું પાડવાનું. એવુંય કહેવાય કે ‘તમારે લીધે મને સંતોષ રહે છે. તમારા લીધે મને બધો આનંદ રહે છે. પહેલાં જે દુઃખ થતું’તું એ બંધ થઈ ગયું’ એવો ચંદુલાલને અનુભવ થાય ને, એટલે આ પક્ષમાં આવતા જાય. ચંદુલાલને પહેલાં જે દુઃખ થતું’તું, તે બંધ થઈ ગયું. એટલે પછી પોતે આ પક્ષમાં આવે કે ‘ભઈ, અમને તમારો સંગાથ સારો પડ્યો!’

(પા.૧૫)

પ્રશ્નકર્તા : બરોબર છે. એમનેય સુખ મળે, એટલે એમને થાય કે આ જ કરવા જેવું છે.

દાદાશ્રી : હા, તે જ કહું છું ને !

સેવા છે પોતાના કલ્યાણ માટે

પ્રશ્નકર્તા : દાદા, આપણી સેવા બીજાને આપીએ, એમાં આપણને આનંદ રહે છે જ.

દાદાશ્રી : રહે જ આનંદ.

પ્રશ્નકર્તા : આપણે કહીએ કે ‘ભઈ, તું સેવા કર, મેં અનુમોદના કરીને...’

દાદાશ્રી : આપણે તો સામાને કહીએ કે ‘તમે કરો તો વધારે આનંદ થાય.’ અને શું સેવા કરવાની ? ચાર વખત મોજા પહેરાવવાના હોય કે બે વખત મોઢું ધોવાનું હોય. શું સેવા કરવાની? સેવા શબ્દ જ ક્યાં હોય છે ? આ બપોરે જે તમને સેવા આપીએ છીએ, તે અમારે જરૂરિયાત નથી હોતી, એ તો ખાલી તમારા મનને શાંતિ રહે એટલા હારુ આપીએ છીએ. અમારે કશીય સેવાની જરૂર જ ના હોય ને ! તું આવું રાખતો નથી ને ? મનમાં હઉ રાખું છું તું ?

પ્રશ્નકર્તા : ના રાખું.

દાદાશ્રી : હવે રાખશેય નહીં ને ! તું હઉ રાખું છું ને ? સેવા તો આખી રાત પંખો નાખવો પડતો હોય, આખી રાત બેસી રહેવું પડતું હોય, સંડાસ જવા છે તે ઉઠાડીને લઈ જવા પડતા હોય, ઊંચકીને લઈ જવા પડતા હોય, ત્યારે સેવા કહેવાય. આને સેવા શી રીતે કહેવાય તે ? પણ મનમાં માનીએ એટલું જ.

સેવા કરતા ગોઠવવી વ્યવસ્થિતની આજ્ઞા

પ્રશ્નકર્તા : પણ દાદા, ધાર્યું કરાવવાની માથાકૂટ બુદ્ધિ કરતી જ હોય છે. એથી એને પેલું ધાર્યા પ્રમાણે નથી થતું, માટે ડખો થાય છે.

દાદાશ્રી : તારે શી શી બાબતમાં જોઈએ, ખાવાની બાબતમાં? સૂઈ જવાની બાબતમાં ?

પ્રશ્નકર્તા : સેવા કરવાની બાબતમાં વધારે થાય.

દાદાશ્રી : સેવાની બાબતમાં શું ?

પ્રશ્નકર્તા : કોઈવાર કોઈ કાઢી મૂકે. કોઈવાર ના આવવા દે, એવું થાય ત્યારે ડખો થાય મહીં.

દાદાશ્રી : કાઢી મૂકે એ તો બહુ ન્યાય કહેવાય. કોઈ કાઢી મૂકે ખરું? નહીં તો આપણે સવાસો રૂપિયા આપીએ તો કાઢી નાખે ! એવું મળે છે ખરું, ઈનામ કોઈ વખત?

પ્રશ્નકર્તા : મળે ને કોઈવાર.

દાદાશ્રી : એમ ને, બહુ સારું કહેવાય ! હું તો નોંધ રાખું. બહુ સારું કહેવાય, તને કાઢી મૂકે તો કોઈનો દોષ નથી.

પ્રશ્નકર્તા : પણ પેલું અહીં પેસવું હોય એવો ફોર્સ (આગ્રહ) હોય ત્યારે કાઢી મૂકવાની ઉપાધિ થાય ને ?

દાદાશ્રી : હં. ફોર્સને લઈને ! ઊંધો ફોર્સ હોય ત્યારે કાઢી મેલે ને! નહીં તો દુનિયામાં કોઈ કાઢી ના મૂકે. ઊંધો ફોર્સ હોય તો જ્યાં પોલીસવાળા આંતરતા હોય, ત્યાં પેસવા જાય તો પછી મારે ડંડો ! અને કાઢી મૂકે તેને વ્યવસ્થિત સમજે તો બહુ આનંદ થાય.

પ્રશ્નકર્તા : દાદા, ‘વ્યવસ્થિત છે’ એવું રહે, કાઢી મૂકે તેનોય દોષ ના દેખાય. પણ પોતાને મહીં થાય કે કેવા અંતરાય કર્મ લઈને આવ્યા છે,

(પા.૧૬)

તે નીકળી જવું પડે છે ! એટલે એ આધારે પછી પેલું મહીં એ થાય.

દાદાશ્રી : પાંચ માણસોને વાત પૂછે ને કે આમાં કોનો દોષ ?

જેને કાઢી મૂક્યો છે ને એનો જ દોષ. પછી આપણે વાત કરીએ તો મૂર્ખા જ કહેવાઈએ ને ! હક્કનું તો મળ્યા વગર રહે જ નહીં. અણહક્કનું ખોળે તોય ના મળે. માર ખાય તોય ના મળે. એના કરતા ડાહ્યા જ થઈ જઈએ, તે શું ખોટું ? તું ડાહ્યો થઈ ગયો ને ? ધાર્યું કરાવવાની અપેક્ષા એ તો આપણે ઘેરેય ના થાય. અને તમને તો વળી સેવા જ ક્યાં કરતાં આવડે છે ? તમને આ બધા ટોળામાં સેવા જ કરતા નથી આવડતી ને ! જ્યારે સેવામાં નવરાશ હોય ત્યારે એ જ કયે ગામ ગયા હોય ! પછી કો’ક પેસી ગયો હોય ત્યારે એને કાઢવાની તૈયારી કરે.

પ્રશ્નકર્તા : એટલે તે ઘડીએ ‘વ્યવસ્થિત’ કહીને કેસ ઊંચો મૂકી દેવાનો?

દાદાશ્રી : નહીં, ઊંચો મૂકી દેવાનો નહીં. વ્યવસ્થિતને ઊંચે મૂકવાની જરૂર જ નહીં. આપણે તો તે ઘડીએ જોઈને આનંદ થવો જોઈએ કે ઓહોહો ! વ્યવસ્થિત આમના તાબામાં આવી ગયું ! કેવું આવ્યું છે ! તેવો આપણને આનંદ થવો જોઈએ તો હેલ્પ કરે અને આપણા તાબામાંય આવે ! પેલા બધા ક્યાંય ખસી ગયા હોય અને આપણે ભાગે જ સેવા આવી જાય.

ટકરામણમાં જુદું નહીં પડવું એ જ પુરુષાર્થ

પ્રશ્નકર્તા : દાદા, આ અહંકારની વાત ઘરમાંય ઘણી વખત લાગુ પડે, સંસ્થામાં લાગુ પડે, દાદાનું કામ કરતા હોય, એમાંય કંઈ અહંકાર વચ્ચે ટકરાતા હોય ત્યાંય લાગુ પડે. ત્યાં પણ સમાધાન જોઈએ ને ?

દાદાશ્રી : હા, સમાધાન જોઈએ ને ! આપણે ત્યાં જ્ઞાનવાળો સમાધાન લે, પણ જ્ઞાન નથી ત્યાં શું સમાધાન લે ? ત્યાં પછી જુદો પડતો જાય, એની જોડે મન જુદું પડતું જાય. આપણે અહીં જુદું ના પડે.

પ્રશ્નકર્તા : પણ દાદા, ટકરાવવું ના જોઈએ ને ?

દાદાશ્રી : ટકરાય છે એ તો સ્વભાવ છે. ત્યાં માલ એવો ભરી લાવ્યા છે એટલે એવું થાય છે. જો એવો માલ ના લાવ્યા હોત તો એવું ના થાત. એટલે આપણે સમજી લેવું કે ભાઈની આવી આદત જ છે. એવું આપણે જાણવું, એટલે પછી આપણને અસર નહીં કરે. કારણ કે આદત આદતવાળાની અને ‘આપણે’ આપણાવાળા ! પછી તેનો નિકાલ થઈ જાય છે. તમે અટકી રહો ત્યારે ભાંજગડ. બાકી, ટકરામણ તો થાય. ટકરામણ ન થાય એવું બને જ નહીં ને ! એ ટકરામણથી આપણે એકબીજા સાથે જુદા ન પડાય એવું જોવાનું ફક્ત. એ તો બૈરી-ભાયડાનેય થાય. પણ તે એકના એક રહે છે ને પાછા ? એ તો થાય. એમાં કોઈના પર કંઈ દબાણ નથી કર્યું કે તમે ના ટકરાશો.

પ્રશ્નકર્તા : પણ દાદા, ટકરામણો ન થાય એવો સતત ભાવ રહેવો જોઈએ ને ?

દાદાશ્રી : હા, રહેવો જોઈએ. એ જ કરવાનું ને ! એનું પ્રતિક્રમણ કરવાનું ને એના તરફ ભાવ રાખવાના ! ફરી પાછું એવું થાય તો ફરી પાછું પ્રતિક્રમણ કરવાનું. કારણ કે એક પડ જતું રહે, પછી બીજું પડ જતું રહે. એમ પડવાળાને ! મને તો જ્યારે ટકરામણ થતી હતી, એટલે નોંધ કરતો હતો કે આજે સારું જ્ઞાન મળ્યું ! ટકરાવાથી લપસી ના પડાય, જાગૃત ને જાગૃત જ રહે ! એ આત્માનું વિટામિન છે. એટલે આ ટકરાવામાં

(પા.૧૭)

ભાંજગડ નથી. ટકરાયા પછી સામસામે જુદું નહીં પડવું એ પુરુષાર્થ છે. આપણું મન સામાથી જુદું પડતું હોય તો પ્રતિક્રમણ કરીને બધું રાગે પાડી દેવાનું. અમે આ બધાની જોડે શી રીતે મેળ પાડતા હોઈશું? તમારી જોડેય મેળ પડે છે કે નથી પડતો ? એવું છે, શબ્દોથી ટકરામણ ઊભી થાય છે. તે મારે બોલવાનું બહુ, છતાંય ટકરામણ નથી થતી ને!

ટકરામણ તો થાય. ટકરામણ તો આ વાસણો ખખડે કે ના ખખડે? પુદ્ગલનો સ્વભાવ છે ટકરાવું તે. પણ માલ ભર્યો હોય તો, ના ભર્યો હોય તો નહીં. અમારેય ટકરામણ થતી હતી, પણ જ્ઞાન થયા પછી ટકરામણ નથી થઈ. કારણ કે અમારું જ્ઞાન અનુભવજ્ઞાન છે અને અમે આ જ્ઞાનથી બધું નિકાલ કરી કરીને આવેલા છીએ અને તમારે નિકાલ કરવાનો બાકી છે.

સેવામાં ઘર્ષણથી પ્રગતિના પંથે

પ્રશ્નકર્તા : આપ કોઈવાર એમ પૂછો છો કે ‘પ્રગતિ થાય છે કે નહીં?’ ત્યારે પ્રગતિ કઈ જગ્યાએ દેખાય ? એટલે કે પ્રગતિમાં શું દેખાય ? સેવામાં કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : ડખો ના થાય તે. કોઈની જોડે ડખોડખલ ના થાય, અગર તો આપણી જાતને પણ ડખો ના થાય. એ જોઈ લે એટલે પ્રગતિ થઈ છે. કોઈની જોડે ડખો થઈ ગયો તો બગડ્યું.

પ્રશ્નકર્તા : સેવામાં ઊભા થતા ઘર્ષણો પ્રગતિને માટે છે, એમ કરીને ખોળે તો પ્રગતિ થાય.

દાદાશ્રી : પણ એ સમજીને નથી ખોળતા ! ભગવાન કંઈ ઊંચે લઈ જઈ રહ્યા નથી, ઘર્ષણ ઊંચે લઈ જાય છે. ઘર્ષણ અમુક હદ સુધી ઊંચે લાવી શકે, પછી જ્ઞાની મળે તો જ કામ થાય. ઘર્ષણ તો કુદરતી રીતે થાય છે. નદીમાં પથ્થરો આમથી તેમ ઘસાઈ ઘસાઈને ગોળ થાય છે તેમ.

પ્રશ્નકર્તા : ઘર્ષણ અને સંઘર્ષણનો તફાવત શો ?

દાદાશ્રી : જીવ ના હોય તે બધા અથડાય, તે ઘર્ષણ કહેવાય ને જીવવાળા અથડાય ત્યારે સંઘર્ષણ થાય.

પ્રશ્નકર્તા : સંઘર્ષથી આત્મશક્તિ રૂંધાય છે ને ?

દાદાશ્રી : હા, ખરી વાત છે. સંઘર્ષ થાય તેનો વાંધો નથી, ‘આપણે સંઘર્ષ કરવો છે’ એવો ભાવ કાઢી નાખવાનું હું કહું છું. ‘આપણે’ સંઘર્ષ કરવાનો ભાવ ના હોય, પછી ભલેને ‘ચંદુલાલ’ સંઘર્ષ કરે. આપણે ભાવ રૂંધે એવું ના હોવું જોઈએ.

કોઈની અથડામણમાં આવે એટલે પાછા દોષો દેખાવા માંડે ને અથડામણ ના આવે તો દોષ ઢંકાયેલા રહે. રોજના પાંચસો-પાંચસો દોષો દેખાવા માંડે એટલે જાણજો કે પૂર્ણાહૂતિ પાસે આવી રહી છે.

તપથી થશે મહીં ચોખ્ખું

પ્રશ્નકર્તા : સેવામાં વ્યક્તિની સામે આપણે અપેક્ષા રાખી કે ‘આ માણસ આમ કરે, આ પ્રમાણે વર્તે.’ અને એ ન વર્તે ત્યારે શું કહેવાય ?

દાદાશ્રી : એ ન વર્તે તોય વ્યવસ્થિત અને વર્તે તોય વ્યવસ્થિત.

પ્રશ્નકર્તા : તેનું દુઃખ થાય છે તે ?

દાદાશ્રી : એ તપ છે, એ દુઃખ નથી. એ જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપ, મોક્ષે જવાના ચાર પાયા જોઈએ, તેમાંથી ચોથો પાયો કાઢી નાખવો

(પા.૧૮)

છે તમારે? તપ એ ચોથો પાયો છે. ત્રણ પાયાનો જ પલંગ રહેશે પછી !

પ્રશ્નકર્તા : પણ એ દુઃખ થાય, તે એ દુઃખને કેવી રીતે સમજવું?

દાદાશ્રી : એ તપ છે, એ દુઃખ નથી ! હવે તમને દુઃખ તો આવે જ નહીં, તપ જ આવે છે. તે તપ તો આવવું જ જોઈએ ને ! અને આંતરિક તપ કહેવાય છે આને.

પ્રશ્નકર્તા : એવું ઘણું તપ આવે છે.

દાદાશ્રી : એ જેટલું વધારે આવે ને, એટલું જાણવું કે આ ચોખ્ખું થવા માંડ્યું. એટલે આવવા દો. હજુ તો આપણે કહેવું કે ‘હજુ તમે ઓછા આવો છો, બધા આવો.’

પ્રશ્નકર્તા : બોલાવીએ છીએ...

દાદાશ્રી : હા, બોલાવો, બોલાવો, દાદા મળ્યા છે હવે. ‘આવવું હોય તો આવો, ગભરાશો નહીં.’ કહીએ. એ લોકો ગભરાય, પણ આપણે ના ગભરાઈએ !

જ્ઞાન સાથે સેવાથી છૂટે ભવ

એક-એક શબ્દ અનુભવમાં આવી જવો જોઈએ. સાંભળેલું બોલવું હોય તો આવડી જાય. બહુ દહાડા ભેગા રહ્યા એટલે આવડે કે ના આવડે ?

પ્રશ્નકર્તા : આવડે ને, દાદા.

દાદાશ્રી : પણ એક-એક શબ્દ અનુભવમાં આવી જવો જોઈએ. ત્યાર પછી બોલેલું ‘જ્ઞાન’ કહેવાય, ત્યાં સુધી બુદ્ધિ કહેવાય. એટલે આ જ્ઞાન એવું સહેલું નથી કે ઝટ પ્રગટ થાય. એ તો સેવા કરે છે તે આવતો ભવ સુધરી જશે. સ્ત્રીનો ભવ છૂટી જાય તોય બહુ થઈ ગયું, એવું આ જ્ઞાન છે. કેવું છે? સેવા કરવાથી જે છૂટે એવું હોય તો, તમે છેટા રહ્યા તો શી રીતે છૂટશો ? માટે આજ્ઞામાં રહો.

પ્રશ્નકર્તા : એટલી સહેલી નથી ને આજ્ઞા પાળવી ?

દાદાશ્રી : ના, સહેલી જ છે એ. તમારો નિશ્ચય હોય તો બધું પળાય. આ સેવા કરવાથી મહીં શું થાય ? સૂઝ, અંતરસૂઝ જેને કહેવામાં આવે, તે બારીઓ બધી ઉઘાડી થઈ જાય.

દાદાની સેવા કરવી એટલે આજ્ઞાની સેવા કરવી તે ! આજ્ઞાની સેવા કરવી અને દાદાની સેવા કરવી એક જ.

પ્રશ્નકર્તા : સેવા કરતાં આજ્ઞા ચઢી જાય ?

દાદાશ્રી : આજ્ઞા ચઢી જાય. આજ્ઞાની સેવા એ જ આ દાદાની સેવા, બીજું બધું તો ફાંફાં. કષાય રહિત ‘જ્ઞાની પુરુષ’ની સેવાથી મોક્ષમાર્ગ સરળ થાય.

આજ્ઞા-સેવાથી રાજીપો

પ્રશ્નકર્તા : રાજીપો શેનાથી આવે ?

દાદાશ્રી : પાંચ આજ્ઞાથી તો રાજીપો આવી જ જાય, નહીં તો સેવા કરો તો રાજીપો થાય. એમની પાસે રહીએ ઘડીકવાર તો રાજીપો થઈ જાય. આજ્ઞા એકુંય ના પાળતો હોય, પણ સેવા કરવાથી શક્તિ એવી ઊંચી થાય, આવરણ બધા તૂટી જાય અને પછી એકદમ જ ફૂટી નીકળે. બધું એકદમ જ ભભૂકે. પાંચ આજ્ઞાઓ પચાસ ટકા પાળે તોય બહુ થઈ ગયું !

પ્રશ્નકર્તા : પણ એવું હોય ને કે દાદાની સેવા કરે તો દાદાનો રાજીપો મળે, દાદાની કૃપા ઉતરે ?

દાદાશ્રી : હા, એ તો કૃપા ઉતરે એ વાત

(પા.૧૯)

સાચી પણ મળવી જોઈએ ને ! કંઈ મારી-ઠોકીને લેવાય ?

પ્રશ્નકર્તા : પણ ઠેક સુધી પ્રયત્નો કરવાના, બીજું શું ?

દાદાશ્રી : તું મારી-ઠોકીને લેવા જઉં ને, તો ઉલટી અકૃપા ઉતરે અમારી. અમે જોઈએ કે કોના ભાગમાં છે ! આજે વ્યવસ્થિત કોનું છે, એ જોઈ લઈએ અમે. શું બને એ વ્યવસ્થિત. બન્યું શું ? એ કરેક્ટ. પંચર પડ્યું એ કરેક્ટ. પંચર કોણે પાડ્યું એ જોવાની નથી જરૂર.

વ્યવસ્થિત કોઈના તાબામાં જ નથી આ જગતમાં. એક આટલો મને હાથ અડાડવાનો કોઈના તાબામાં નથી. બધું વ્યવસ્થિતના તાબામાં છે ને અમથા નકામા હાય હાય કર્યા કરે. વ્યવસ્થિતનું જ્ઞાન આપ્યું છે તોય તને સમજણ નથી પડતી. એ તો અજ્ઞાનીઓ કકળાટ કર્યા જ કરે છે ને ! તમે આમ કર્યું ને તમે આમ કર્યું. એ અજ્ઞાન છે ને ! અને જ્ઞાની કકળાટ ના કરે. કારણ કે એ જાણે છે કે પોતાના હાથમાં જ નથી સત્તા.

પ્રશ્નકર્તા : ને કોઈ પણ વસ્તુમાં પ્રયત્ન તો ઠેઠ સુધી કરવાના જ ને ?

દાદાશ્રી : એ તો પ્રયત્ન થયો તો સાચો, ના થાય તો કશી જરૂર નહીં. એની મેળે જ આવીને ઊભું રહે. આપણે તો દાદાના દર્શન થાય છે કે નહીં, એટલું જ જોવું.

પ્રશ્નકર્તા : આ તો કેવું થાય છે કે પાંચ આજ્ઞા બાજુ પર રહી જાય છે. એમાં લક્ષ નહીં ને આમાં અથડામણ બહુ થઈ જાય છે.

દાદાશ્રી : આજ્ઞામાં જ રહેવું. પણ શું કરવા એમાં અથડાવું ? તેમાં શું કરવા ગયો ?

પ્રશ્નકર્તા : તો બધા સેવા કરે એટલે આપણને એવું થાય કે આ સેવા જ કરવી, એ મળે એટલે.

દાદાશ્રી : તો આ બીજા બધા એમને કંઈ સેવા ના મળે એટલે નુકસાન થાય છે એમને ?

પ્રશ્નકર્તા : મને એવું થાય કે આ નંબર લાગી જશે એટલે.

દાદાશ્રી : નંબર શેમાં લગાડવો ?

પ્રશ્નકર્તા : ખટપટ કરું અંદર એમ.

દાદાશ્રી : ખટપટ કરીને શું કામ છે તારે ?

પ્રશ્નકર્તા : અને મળી જાય.

દાદાશ્રી : શું મળી જાય ?

પ્રશ્નકર્તા : એ કંઈક દાદા કને આમ સેવા મળી જાય.

દાદાશ્રી : એવી સેવા કામમાં ના આવે. એમાં કશું મળે નહીં ને નકામો તારો ટાઈમ બગાડો. સેવા સહજભાવે જ હોય એ ! શું બને છે એ જોયા કર ને !

પ્રેક્ટિકલમાં આવે તે જ સાચું

પ્રશ્નકર્તા : સેવામાં મહાત્માની ભૂલ થતી હોય તો દાદાએ કહેવું જોઈએ ને કે ‘આ ભૂલ થાય છે?’

દાદાશ્રી : ના, ના, મારે શું લેવાદેવા ?

પ્રશ્નકર્તા : પૂછે તો નહીં કહેવાનું ?

દાદાશ્રી : એ તો પોતાએ જ દોષ ખોળી કાઢવાના રહ્યા. અમે એવું કહીએ નહીં. અમારું કહેલું એ તો પછી એનું શું થાય કે એ તો થિયરીમાં ગયું. એ તો અમે કહીએ નહીં ને એવું !

(પા.૨૦)

પ્રશ્નકર્તા : પોતે જુએ તો પ્રેક્ટિકલમાં આવ્યું કહેવાય ?

દાદાશ્રી : પેલું પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલમાં આવે ને તે જ સાચું. એટલે અમે કોઈને દોષ ના કહીએ, કે ‘તમારા આટલા દોષ છે, સુધારજો.’ એવું તેવું ના કહીએ.

પ્રશ્નકર્તા : આપની કોઈવાર આમ સહેજ નૈમિત્તિક ટકોર થાય.

દાદાશ્રી : એ તો સહેજ થઈ જાય કો’કની જોડે. બહુ નજીકનો હોય તેની જોડે થઈ જાય, નહીં તો ના હોય અમારે. કારણ કે એને પોતાને દેખાય તો જ કામનું છે. નહીં તો હું કહું ને એ તો ઊલટું સિલકમાં આમ પડી રહે આ બાજુ ને એમાં જ ધ્યાન રહ્યા કરે. એ કામમાં શું લાગે? બધું આમ વિધિઓ કરે, સેવા કરે એટલે પછી જાગૃતિ વધતી જાય મહીં!

સૂઝથી ઉકેલાતા કામોનો ખાય ગર્વરસ પોતે

પ્રશ્નકર્તા : આપણે કંઈક કામ કરીએ ને, એટલે એમાં કોઈ વખત બુદ્ધિથી કામ થાય અને કોઈ વખત ઘણાને સૂઝ હોય એટલે અંતર સૂઝ. એટલે મેં મારું કહ્યું કે ‘મને સૂઝ પડી જાય એમ કંઈ અને કામ તરત થઈ જાય.’ પણ એ સૂઝ પડે પછી પોતે માને કે ‘આ મને આવડે છે, મેં કર્યું.’ એક્ચ્યુઅલી (ખરેખર) સૂઝ કરાવતી હોય. જોડે પાછો ગર્વરસ ચાખે કે ‘મને કેવું સરસ આવડે છે! કોઈને નથી આવડતું એવું મને આવડે છે.’ એ ગર્વરસ મહીં પછી મીઠો લાગ્યા કરે અને મારી પાડે આપણને. પછી આખો એનો અહંકાર રહે.

દાદાશ્રી : એટલે એમાં ગર્વરસ ચાખીએ છીએ આપણે. એ ગર્વરસને લઈને આ ચોંટી રહે તો એને (ચંદુને) વઢીએ, તો આપણને એ રસ આવે નહીં, એ રસ છૂટી જાય એટલે પેલી મજા ના આવે. મજા જાય પણ એની (ચંદુ) જોડે છૂટા થઈએ ને! તો જ દાદાની આજ્ઞા પળાય ને !

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : ‘મેં ઠીક કર્યું’ એવો ગર્વરસ ખાય.

આ તો પોતે નથી કરતા, એ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ કરે છે. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર, હાથ-પગ ભેગા થઈને કરે છે. પણ આ તો પોતે ગર્વરસ ભોગવે છે. ગર્વરસ બહુ મીઠો લાગે છે.

કમાય ત્યારે ‘હું કમાયો’ કહી ગર્વરસ ભોગવે ને ખોટ જાય ત્યારે દુઃખી થઈ જાય. આરોપ કરે, તેનાથી દુઃખો છે. ભગવાન તો પરમાનંદી છે અને એ જ પોતાનું સ્વરૂપ છે.

પ્રશ્નકર્તા : દાદા, પછી ઘણી વખત એમ થાય કે ફાઈલ એકે કર્યું છે ને ! એ બેઉ થતું હતું. પેલું લાગે ખરું, ચોંટે ખરું. ‘હા, મેં કર્યું હતું એમ !’ મીઠું લાગે.

દાદાશ્રી : એ જ ગર્વરસ અને તે તમને છૂટવા ના દે.

હવે સેવામાં અહંકારને ખોદવો

પ્રશ્નકર્તા : આજુબાજુનો વ્યવહારેય એવો હોય કે પોતાની કંઈક ગિફ્ટ (આવડત) હોય, તેમાં પોતાનો અહંકાર પોષાય. અને એવી એને ટેવ જ પડેલી છે કે જ્યાં જાય ત્યાં પોતાને બધા આમ આમ કરે (માન આપે), તમે કંઈક આમ આમ છો, કહે. એટલે પછી મહીં એ બધું મીઠું લાગે ને, એટલે પોતાનું ‘હું’પણું આખું ક્રેક થતું જાય ને ?

દાદાશ્રી : પણ એ નિર્જીવ છે, આપણા જ્ઞાન આપ્યા પછી જીવ નથી રહેતો.

(પા.૨૧)

પ્રશ્નકર્તા : જીવ નથી રહેતો, પણ નિર્જીવ હેરાન કરે ને ?

દાદાશ્રી : નિર્જીવ વધે નહીં. જે છે એટલાનો ઉકેલ આવી જાય.

પ્રશ્નકર્તા : બીજાને એ નુકસાન થાય ને ?

દાદાશ્રી : એ તો નુકસાન થાય. પોતાને ને બીજાને, બન્નેવને નુકસાન થાય. પણ નિર્જીવપણું છે એટલે બેઉને એટલું બધું ના થાય. જ્ઞાનમાંથી પડી જાય એવું ના થાય. નહીં તો એમને આ જ્ઞાન ક્યારનુંય ફર્સ્ટ ક્લાસ થઈ ગયું હોત ! પણ આ તો જરાક ડખો કરે છે કે ‘હું કંઈક છું’, ‘હું કંઈક છું’, તે ‘હું’નું રહી ગયું છે. તે ‘હું’ કાઢવા ફરું છું પણ નીકળતું નથી.

એ ‘હું’ સેન્સિટિવ (લાગણીશીલ) થયો એટલે આ બધો ડખો થાય. મેં કહ્યું, ‘‘અરે નથી કશામાં ! અમે જ નથી ને કશામાં, તો તમે ક્યાંથી આવી ગયા ?’’ તો પણ એમને ‘હું’ જતું નથી, નહીં તો આ જ્ઞાન પ્રગટ થાય, દીપી નીકળે એવું છે. ‘હું’ને વળી શું કરવું છે ? ‘હું’ને તો કાઢવાનો છે. એટલે અમારી રીત તમને સમજાવી દઉં. કશામાં ડખો જ કરવા જેવો નથી.

આ તો દરેક વાતમાં બોલે. ઘડિયાળની વાત કાઢીને ‘ફલાણું થાય, ફલાણું...’ અલ્યા, તું શેની બાબતમાં સમજે છે તે ? સંડાસ જતા આવડતું નથી ને વગર કામના લોકો ડખો કર્યા કરે છે અને મહીં ‘હું’ ‘હું’ કર્યા કરે છે. કર્મના આધીન છે બિચારા !

અહંકાર ‘હું કંઈક છું’ માની બેઠેલા ને ! આટલા શબ્દ બોલીએ ને, તે બધાય શબ્દ પાછા પડે. કહેશે, ‘તમારે શું ?’ એટલે આપણે ના જાણીએ કે આપણા શબ્દ મોઢામાં ઘાલી દીધા આ માણસે ? એટલે ફરી બોલાય જ કેમ કરીને ? આ જેટલો સામાન છે ને અહંકારનો, એ સંપૂર્ણ મૂળ સાથે કાઢી નાખવામાં ના આવે, ત્યાં સુધી ફરી બધું ઊભું થઈ જતાં વાર નહીં લાગે. કેવા સંયોગોમાં ક્યારે ઊભું થઈ જાય એ કહેવાય નહીં. માટે આનું શું કરવાનું ? અજ્ઞાનતા તો ગઈ, હવે અહંકારને ખોદવાનો પ્રયત્ન રાખવો પડે. આ જરૂરિયાત પૂરતો અહંકાર એ તો ડ્રામેટિક (નાટકીય) છે જ. પણ મહીં બીજો ગૂંચાયા કરે છાનોમાનો, એ ખબર પડે નહીં.

સત્તાના દુરુપયોગે સત્તા જાય

એટલી બધી કરુણતાવાળી લાઈફ છે અને એમાં આવા અહંકાર કરવા જઈએ, ગાંડાં કાઢીએ, તે બહેરાશ થઈ જાય તો ? અગર તો બેતાળાં થવા આવ્યા તો, શાને માટે અહંકાર ? જેને આધાર આપવા જેવા માણસ છે, ત્યારે એને અહંકાર હોતો નથી. જેને આધાર આપવા જેવા નથી હોતા, ત્યાં અહંકાર હોય છે બધો !

તું સ્કૂલમાં ભણતો હતો ત્યારે અહંકાર ક્યાં ગયો’તો ? તે અત્યારે અહંકાર જાગ્યો છે તે ? ‘સર’ છે તે ખુરશીમાં બેસતા’તા ને આપણે નીચે બેસતા’તા. તે ઘડીએ અહંકાર કેમ ના ચઢ્યો ? આ તો કંઈક સત્તા-બત્તા હાથમાં આવે છે ને, તે ચગ્યું. અને કુદરતનો કાયદો એવો છે કે સત્તાનો દુરુપયોગ કર્યો એટલે સત્તા જાય. જે સત્તા તમને પ્રાપ્ત થઈ છે, એ સત્તાનો તમે દુરુપયોગ કરો તો એ સત્તા જાય. આ હું જ્ઞાનીના પદ ઉપર બેઠો છું. એનો દુરુપયોગ કરું એટલે આ પદ મારું જતું રહે, એની મેળે. દુરુપયોગ ના કરું અને બીજી રીતે સિદ્ધિઓ વટાવી ખાઉં, તો ત્યાં કુદરતમાં પકડાઈ જાય ! સિદ્ધિઓ હોય ખરી?

પ્રશ્નકર્તા : હોય.

(પા.૨૨)

દાદાશ્રી : એ દુરુપયોગ કરે તો શું થાય ? પદ જતું રહે. કોઈ પણ વસ્તુનો દુરુપયોગ કરો એટલે એ પદ ખોઈ નાખશો.

જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન ના થાય, ત્યાં સુધી માર્કેટ મટિરિયલ (બજારુ માલ) કહેવાય. એનો ઈગોઈઝમ (અહંકાર) શું રાખવાનો હોય? અને ઈગોઈઝમ રાખવાનો તે જ્ઞાની પુરુષે રાખવાનો હોય કે જેની પાસે આખા બ્રહ્માંડની સત્તા પડેલી હોય, પણ ત્યારે એમને ઈગોઈઝમ હોય નહીં. જ્યાં સત્તા છે, ત્યાં ઈગોઈઝમ નથી. જ્યાં સત્તા નથી, ત્યાં આગળ ઈગોઈઝમ છે. આખા બ્રહ્માંડની સત્તા હોય, ત્યારે જ્ઞાની પુરુષ બાળક જેવા હોય !

દાદાની સેવા એ તો ગજબની વસ્તુ

પ્રશ્નકર્તા : મારું કેવું હોય છે કે આખો વખત આપની જ સેવામાં હોઉં એટલે આત્મા યાદ ના આવે, આજ્ઞા યાદ ના આવે...

દાદાશ્રી : એ તો તમારે યાદ ના રહે તો વાંધો નહીં. આ દાદાની સેવા તો ગજબની વસ્તુ કહેવાય. એને આત્મા યાદ રાખવાની જરૂર જ નથી.

પ્રશ્નકર્તા : દાદા જ યાદ રહે તે વખતે પછી.

દાદાશ્રી : પણ ભક્તિ શેની થાય છે એ જોવાની જરૂર છે. આત્મા યાદ રહે કે ના રહે, એ તો મેં લક્ષ આપેલું છે, એટલે તમને જ્યારે ત્યારે લક્ષ આવીને ઊભું રહેશે, પણ એ છે તે ભક્તિ કોની છે એ જોવાનું. જેની ભક્તિ કરો ને, તે રૂપ થયા કરે.

પ્રશ્નકર્તા : તો તો બહુ ઊંચું જ છે, દાદા.

દાદાશ્રી : હા, તે ઊંચું છે તેથી કહું છું ને આ બધાને કે ભઈ, આ ઊંચું તમને મળી આવ્યું છે. તમારી પુણ્યૈ જાગી છે. પુણ્યૈ કો’કની જાગે ને? હું સેવા આપું એવો કાચો માણસ બિલકુલેય નહીં. પગ ભાંગ્યો ને, તે આ નીરુબહેનને સેવા આપવાનું બન્યું. નહીં તો હું આપું નહીં. કોઈનીય સેવા મેં જિંદગીમાં નથી લીધી.

તું તો મશીનની ભક્તિ કરું છું. જેની ભક્તિ કરું તે રૂપ થાય. શ્રુતજ્ઞાનની ભક્તિથી જાગૃતિ એકદમ થઈ અને અજવાળું થઈ ગયું. આ મશીનની ભક્તિથી અજવાળું પાછું બંધ થઈ જાય. ભક્તિ શાની કરે છે એ જોવાનું. આત્માનો સ્વભાવ જેની ભક્તિ કરે ને, તેવો થઈ જાય. તેથી કહું ને, નીરુબેનની પુણ્યૈ બહુ જ મોટી જાગી છે ! એવું લોકોને શાથી કહું છું ? નહીં તો કહુંયે નહીં ને લોકોને !

પ્રશ્નકર્તા : દાદા, મનેય આજે વધારે સમજાઈ, એ પુણ્યૈ !

દાદાશ્રી : તને સમજાય છે, જોખમ શેમાં છે ને જોખમ શેમાં નથી એવું ? શેની ભક્તિ કરી તેથી આ અજવાળું થઈ ગયું ? જેવો ચિંતવે તેવો આત્મા થઈ જાય. આત્માનું મૂળ લક્ષણ એ કે જેવું ચિંતવે, જેની ભક્તિ કરે તે રૂપ થાય. તેથી બધાંને કહું છું ને કે જ્ઞાની પાસે પડી રહેવાનું. પણ કેમ જવા દઈએ છીએ ? ફાઈલો છે એટલે ફાઈલોનો નિકાલ તો કરવો જ પડે.

અને ‘આમને’ જો આમ બીજી જાગૃતિ રહેતી ન હોય ને તોય હું ધ્યાન ના આપું, એનું શું કારણ ? કે ખરું કારણ તો સેવાઈ રહ્યું છે. આવું જ્ઞાનીની ભક્તિ-સેવા મળે નહીં ને ! આ કારણ જ ના મળે !

ધ્યેય કેવો રાખવો કે દાદાજીની સેવા કરવી છે અને ભાવ સહજ રાખવો. દાદાની સેવા મળવી એ તો બહુ મોટી વસ્તુ છે ને ! એ તો બહુ મોટી પુણ્યૈ હોય તો મળે, નહીં તો મળે નહીં ને! આમ

(પા.૨૩)

હાથ જ ના અડાડાય ને ! એક ફેરો આમ હાથ અડાડવું તેય બહુ મોટું પુણ્યૈ કહેવાય ને ભેગું થાય તો મનમાં માનવું કે ઘણા દહાડે પ્રાપ્ત થયું એટલુંય કંઈ ઓછું છે !

ડિસ્ચાર્જ કષાય ખાલી થતા બને ‘નિમિત્ત’

પ્રશ્નકર્તા : દાદા, આપ જેવી રીતે બીજાના સુખને માટે પ્રયત્ન કરો છો અને કેટલાંયને ભયંકર દુઃખની યાતનામાંથી પરમ સુખી બનાવી દો છો, તો એવું અમારે થવું હોય તો થઈ શકીએ કે નહીં ?

દાદાશ્રી : હા, થઈ શકો. પણ તમારી એટલી બધી ‘કેપેસિટી’ (ક્ષમતા) આવવી જોઈએ. તમે નિમિત્ત રૂપ બની જાવ. એટલા માટે હું તમને તૈયાર કરી રહ્યો છું. બાકી તમે કરવા કે બનવા જાવ, તો કશું બને એવું નથી!

પ્રશ્નકર્તા : તો નિમિત્ત રૂપ બનવા માટે અમારે શું કરવું જોઈએ?

દાદાશ્રી : આ જ બધું હું કહું છું તે અને કુદરત નિમિત્ત રૂપ બનાવે, તે પહેલાં અમુક જાતનો ‘કાટ’ નીકળી જવો જોઈએ.

એમાં કોઈના ઉપર ગુસ્સે થવાનો, કોઈની પર ચિડાવાનો એવા બધા હિંસકભાવ થવા ના જોઈએ. જો કે ખરેખર તમને આ હિંસકભાવ નથી, આ તમારા ‘ડિસ્ચાર્જ’ હિંસકભાવ છે. પણ જે ‘ડિસ્ચાર્જ’ હિંસક ભાવ છે તે ખલાસ થશે, ત્યારે આ બધી શક્તિઓ છે તે ‘ઓપન’ (પ્રગટ) થશે. ‘ડિસ્ચાર્જ ચોરીઓ’, ‘ડિસ્ચાર્જ અબ્રહ્મચર્ય’, એ બધા ‘ડિસ્ચાર્જ’ ખાલી થાય ત્યાર પછી પારકાંને માટે નિમિત્ત બનવાની શક્તિ ઉત્પન્ન થાય ! આ બધું ખાલી થાય એટલે તમે પરમાત્મા જ થયા ! આ અમારે ખાલી થઈ ગયું છે, તેથી તો અમે નિમિત્ત બન્યા !

પ્રશ્નકર્તા : એટલે પહેલાં ‘કાટ’ ખાલી કરવાની વાત અમારે કરવી.

દાદાશ્રી : પુરુષાર્થ કરીને બધું થાય ! પુરુષ થયો એટલે પુરુષાર્થમાં આવી શકે, એવું અમે બધું કરી આપ્યું છે ! હવે તમે તમારી મેળે જેટલો પુરુષાર્થ માંડો એટલો તમારો !

ગુપ્ત સેવામાં પડે સિન્સિયારિટીનો પડઘો

પ્રશ્નકર્તા : આપનું એક વાક્ય એવું છે કે ‘તમે ગુપ્ત રીતે સેવા કર્યા કરતા હશો અને કોઈનેય જાણ નહીં થાય, કોઈનેય ખબર નહીં પડી હોય તોય જગતને એનો પડઘો પડ્યા વગર રહે નહીં, એવો કાયદો છે સિન્સિયારિટીનો.’

દાદાશ્રી : હા, એવો નિયમ છે.

પ્રશ્નકર્તા : એને પોતાને ગાવાની જરૂર નથી કે ‘હું આવો છું ને તેવો છું.’

દાદાશ્રી : કશુંય કહેવાની જરૂર ના હોય, ઉઘાડું જ થઈ જાય. ચોરીઓ કરે તે ઉઘાડી થાય છે, તો પછી આ તો... ! બહુ ખાનગી રાખેલી ચીજો ઉઘાડી થઈ હોત તો મોભારે ચઢીને બોલે.

દરેક બાબતમાં સિન્સિયર રહીએ એ મોક્ષે જવાની નિશાની ! કોઈ ના જાણતું હોય છતાં તું દુનિયાને માટે સારું કરતો હોય તોય લોક જાણી જાય એ દુનિયાનો એક નિયમ છે, મોટામાં મોટો.

પ્રશ્નકર્તા : મને એવું હતું કે પોલ મારી દેવાની, એટલે ચાલે બધું આમ.

દાદાશ્રી : તેને લીધે જ બધું બફાઈ ગયું ને ! સત્ય હંમેશાંય ઊગે, નહીં તો બીજું તો ઊગેલું ઝાડ હશે તોય સૂકાઈ જશે.

સામો દગો કરે તોય તારે સિન્સિયર રહેવું, એ તરવાની ચાવી !

(પા.૨૪)

મૂંગી સેવા, જ્ઞાનીની દ્રષ્ટિએ

પ્રશ્નકર્તા : પણ દાદા, સેવા એ તો કન્ટિન્યુઅસ (સતત) મળ્યા કરે ને ? આટલી બધી સેવામાં એવું કાયમ સિન્સિયર રહેવાતું નથી ને ?

દાદાશ્રી : શું સેવા કરવાની ? આ બે-ચાર વખત દવા આપીએ, એને સેવા કહે છે ? શેને સેવા કહો છો ? ઘરમાં નોકર રાખે એ ના આપે? સેવા માટે કંઈ આવડા ઓફિસર રખાતા હશે?

તું કોને સેવા કહે છે ? આ તમે નવડાવો એટલે અમે નાહીએ. નહીં તો અમે પેલા નોકરને કહીએ કે ‘તું ડોલ ભરીને મૂકી દે એટલે અમે નાહી લઈએ.’ આ વળી અમારે શું કરવું છે ? સેવા શું કરવાની ? સેવા તો ક્યારે કે ત્યાં આગળ ઉપદેશ આપવા જવાનું હોય, લોકોનું કલ્યાણ થાય એવું કરવાનું હોય ! કેટલાં જણને ઉપદેશ આપી આવ્યો ? લોકોનું કલ્યાણ કરે. તેનું નામ અમે સેવા કહીએ. અમારો જે ધ્યેય પૂરો કરે ને, એનું નામ સેવા કહીએ. આ નીરુબહેન તમે વાણીનું બધું લખો એને અમે સેવા કહીએ. બે આપ્તવાણીઓ તૈયાર થઈ જાય એટલે એટલી સેવા કરી તમે !

સેવા તો, હું ૧૦૦ રૂપિયાની નોટ આપું ને તમે ૧૦૦ રૂપિયાની નોટના છૂટા લઈ આવો, તેમાં તમે શું સેવા કરી ? પણ એમાં ભાવના કેવી હતી તે અમે જોઈ લઈએ, બીજું કશું જોયું નથી.

બાકી સેવા તો એનું નામ કે તું કામ કરતો હોય તે મને ખબરેય ના પડે, એને સેવા કહેવાય. મૂંગી સેવા હોય. ખબર પડે એને સેવા ના કહેવાય.

મૂક સેવા હોવી જોઈએ

પ્રશ્નકર્તા : ટૂંકમાં એમને જે ગમે તે કરવું પડે આપણે.

દાદાશ્રી : હં. એવું આ જ્ઞાની પુરુષની છે તે બાહ્ય અગર અંતર એ મૂંગી સેવા કરવી જોઈએ. શું કહ્યું ? મૂક સેવા. બધી જ ચીજ મળે. બાહ્ય અગર અંતર, બહારથી મૂક સેવા કરો કે અંદર રહીને કરો. મારી પાસે આવીને કરો અગર બહારથી કરો, પણ મૂક સેવા હોવી જોઈએ. કેવી ?

પ્રશ્નકર્તા : મૂક સેવા.

દાદાશ્રી : પોતાનેય ખબર ના પડે કે હું આ સેવા કરી રહ્યો છું.

સેવા મૂંગી હોય કે બોલીને પણ રાજીપો મેળવ્યા વગર ના રહે ને, પણ બન્નેને તેના જુદા જુદા ફળ મળે. પેલાને પ્રત્યક્ષ ફળ મળે અને આને મૂંગા ફળ મળે કે આવું ગજબનું ક્યાંથી આવ્યું એ ના સમજાય !

મૂક સેવા કેવી રીતે કરાય ?

પ્રશ્નકર્તા : મૂક સેવા કઈ રીતે કરાય ? આપને યાદ કરીએ તે કહેવાય કે કઈ ?

દાદાશ્રી : યાદ કરવાની જરૂર નહીં. યાદ તો બધા બહુએ કરે છે, દાદા, દાદા. યાદ કરવાનું નહીં, એમને રાજી કરવા, કેમ કરીને રાજી થાય આપણી ઉપર ! ખૂબ રાજી થાય આપણી ઉપર ! એમને કશું જ જોઈતું ના હોય. જ્ઞાની પુરુષ એટલે એમને કોઈ ચીજની ભીખ ના હોય. ત્યાં લક્ષ્મીની ભીખ ના હોય, વિષયની ભીખ ના હોય, માનની ભીખ ન હોય, કીર્તિની ભીખ ના હોય, શિષ્યો કરવાની ભીખ ના હોય, દેરા બાંધવાની ભીખ ના હોય, પૈસા ભેગા કરવાની ભીખ ના હોય, કોઈ જાતની ભીખ ના હોય. પછી ત્યાં એમને રાજી કરવામાં બીજું શું જોઈએ ? તે આપણે ખોળીને તપાસ કરવી જોઈએ. અને જગતના લોકો તો આપણે કશું બહારથી વસ્તુ લાવી આપીએ ને બે સાડીઓ, તોયે ખુશ થઈ જાય.

(પા.૨૫)

પ્રશ્નકર્તા : પણ એ મૂક સેવા કેવી રીતે કરવી ?

દાદાશ્રી : જ્ઞાની જે હેતુ માટે ફરે છે, એ હેતુને હેલ્પ કરજો. એ જ્ઞાનીને કશું જોઈતું નથી, તોયે બોંતેર વર્ષે શા માટે ફરે છે ? એ હેતુમાં હેલ્પ કરવી, એનું નામ મૂક સેવા કહેવાય. હું કહું છું એ સમજાયું તમને ?

પ્રશ્નકર્તા : સમજાયું...

દાદાશ્રી : અને હેલ્પ થાય એવું તમે કરવા લાગો ત્યારે અમે જાણીએ કે ઓહોહો ! આ ભાઈ કામ કરી રહ્યા છે.

પ્રશ્નકર્તા : તો પછી મારું કામ થઈ જશે ને ?

દાદાશ્રી : ચોક્કસ. એ જ હેતુ. બાકી નથી અમારે પૈસા જોઈતા, નથી અમારે કશું જોઈતું તમારી પાસે. નથી અમારે પગ દબાવવા કે અમારે શરીર અંગેય કશું જોઈતું નથી. ફક્ત અમે જે કામ કરવા નીકળ્યા છીએ, એ કામમાં તમે હેલ્પ કરો તો અમને એમ લાગે કે તમે અમારું કામ કરો છો.

આ શરીર સેવા માટે ઘસાઈ જાઓ. અનંત અવતારથી આ દેહ બેૈરી-છોકરાં અને ઘરને માટે જ ઘસાયો છે. તે આ એક અવતાર અન્યની સેવા માટે જ ઘસાઈ જાઓ. અનંત અવતાર બેૈરી-છોકરા માટે જાત ઘસી નાખીને નર્યા કષાયો કર્યા. જે આપણું નથી તેને માટે ઘસાઓ.

ટેકો દેવો કલ્યાણના તંબુમાં

આ દેહ તો અમને ફરી મળવાનો જ છે પણ કોઈ દર્શન કરવા આવ્યો હોય, તેનો ભાવ ના તૂટવો જોઈએ.

મારો ‘આઈડિયા’ (ભાવ) એવો છે કે આખા જગતમાં ‘આ’ ‘વિજ્ઞાન’ની વાત ખૂણે ખૂણે પહોંચાડવી અને દરેક જગ્યાએ શાંતિ થવી જ જોઈએ. મારી ભાવના, મારી ઈચ્છા જે કહો તે મારું આ જ છે ! અમારી ભાવના છે કે આ લોકોનું કલ્યાણ થાવ. જેવું અમારું થયું એવું આ બધાનું કલ્યાણ થાવ, એવી ભાવના અમારી હોય.

આ પબ્લિકનું, હિન્દુસ્તાનનું કેમ કરીને કલ્યાણ થાય, એની માટે પેરવીમાં છું. હું આત્મા થઈને, પુરુષ થઈને બોલું છું અને પુરુષાર્થ કરવા નીકળ્યો છું. કેમ કરીને હિન્દુસ્તાન અને ફોરેન પર અસર થાય, એટલા માટે આ મારું બધું કાર્ય કરી રહ્યો છું. જેમનાથી ટેકો દેવાય તો દેજો, આ તંબુમાં. આપણે તંબુ ઊભો કર્યો છે. ટેકો દેવો જોઈએ ને !

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : અને આખું પૂઠિયું જ ફરી જવાનું છે. નવા ઉપદેશકો ઊભા થશે. જૂના ઉપદેશકો રિટાયર (નિવૃત) થઈ જશે અને રિટાયર નહીં થયા હોય તોય નવા ઉપદેશકોને દેખીને જ રિટાયર થવાના.

આ કલ્યાણના તંબુમાં અમથો હાથ અડાડીશું તોય તંબુ ઊભો રહેશે, ટેકો કરીશું તોય છે તે બે જણનું કલ્યાણ થશે.

લોકકલ્યાણ કરતા કરતા દેહ છૂટી જાય એના જેવું એકુંય નહીં ને ! ધંધા કરતા કરતા લોક મરી જાય છે, આરામ કરતા કરતા લોક મરી જાય છે, તેના કરતા લોકકલ્યાણ કરતા કરતા જાય તે શું ખોટું ?

જગતનું કામ કરશો ત્યારે તમારું કામ એમ ને એમ થયા કરશે, ત્યારે તમને અજાયબી લાગશે!

ભાવનાથી પણ કલ્યાણ થાય તેવું છે. એવી ભાવના કોણ કરી શકે? મહાપુણ્યશાળી

(પા.૨૬)

હોય કે જેને જગતમાં કશાયની ભીખ કે લાલચ રહી નથી તે.

જ્યાં સુધી આપણી સ્વચ્છ (નિર્મળ) આંખો ના થાય ત્યાં સુધી સામાનું કલ્યાણ ના થાય. તેથી જ તો ‘હું’ બધાંને દર્શન કરાવું છું. સ્વચ્છ આંખો એ જ કારુણ્યતા, બીજો કોઈ ભાવ નહીં.

સેવાનું ફળ, સેવકમાંથી સેવ્ય

જ્ઞાની પુરુષની સેવા કરવાથી અભ્યુદય ફળ પ્રાપ્ત થાય. આ સેવા જે કરો ને, એનું સેવાફળ કહેવાય. હવે આ સેવાનું ફળ ભૌતિક નહીં, પેલું ફળ મળે. એટલું બધું ઊંચું ફળ મળે કે પોતે સેવક હોય ને, તે પછી સેવ્ય થઈ જાય. આ દુનિયામાં જેટલા સેવ્ય બનેલા, એ સેવકપદમાંથી જ બનેલા. તમે ક્યારે સેવ્ય થશો ? જો તમે સેવક થઈને સેવ્યની સેવા કરશો, તો તમે સેવ્ય થશો.

પ્રશ્નકર્તા : આ સેવ્યનો કંઈ લાભ નથી. સેવ્યની જોખમદારી બહુ છે.

દાદાશ્રી : એ જેવા તેવા થાય એવું નથી. તમારાથી એનો અભ્યાસ થાય એવું જ નથી. એટલે તમારે એના કરતાં ના થાય એ જ સારું છે ને!

સેવા કોઈ દહાડો જોખમકારી હોય જ નહીં. સેવાનો આંકડોય ના આવડતો હોય અને સેવા મળી ગઈ એનું કામ કાઢી નાખે, એ સેવ્યપદ લાવનારું હોય.

પ્રશ્નકર્તા : અમુક સ્ટેજ આવ્યા વગર સેવ્યપદમાં જોખમ નહીં ?

દાદાશ્રી : કશું જોખમ નહીં. એ મળવું જોઈએ, એ મળ્યું એટલે ચાલ્યું.

પ્રશ્નકર્તા : જે સેવા કરે એને માટે નહીં, જે સેવા લે અને તે લાયક ના હોય અને કોઈની સેવા લે તો એને માટે જોખમકારક કે નહીં ? સેવા કરનારને તો કોઈ દહાડો જોખમ છે જ નહીં ને !

દાદાશ્રી : પોતે સેવા લીધી હોય તો બહુ જોખમ છે.

પ્રશ્નકર્તા : હું એ જ કહેવા માંગું છું કે પોતે લાયક ન થયો હોય.

દાદાશ્રી : હા, એટલે બહુ જોખમ છે. એના જેવું જોખમ કોઈ નહીં, બહુ મોટું જોખમ !

પ્રશ્નકર્તા : જ્ઞાની સેવ્યપદમાં મૂકી દે ?

દાદાશ્રી : એ તો એના સ્વભાવથી જ થયા કરે, એના સ્વભાવથી થઈ જાય.

સેવ્યપદમાં મૂકવાનો કોઈને અધિકાર જ નથી ને કશો ? એટલે એની મેળે જ ફળ મળે !

પ્રશ્નકર્તા : તો પછી જોખમ ના રહ્યું ને?

દાદાશ્રી : પછી કશું જોખમ હોતું નથી. જ્ઞાની પુરુષની પાસે જે કંઈ સેવા કરવામાં આવે ત્યાં જોખમ નથી. અજ્ઞાની પાસે હોય ત્યાં જોખમ થાય. અહીં તો કોઈ જાતનું જોખમ જ નથી.

આપણું સેવ્યપદ છૂપું રાખી ને સેવકભાવે આપણે કામ કરવું. ‘જ્ઞાની પુરુષ’ એ તો આખા ‘વર્લ્ડ’ના સેવક અને સેવ્ય કહેવાય. આખા જગતની સેવા પણ ‘હું’ જ કરું છું ને આખા જગતની સેવા પણ ‘હું’ લઉં છું. આ જો તને સમજાય તો તારું કામ નીકળી જાય તેમ છે !

‘અમે’ એટલે સુધી જવાબદારી લઈએ કે કોઈ માણસ અમને મળવા આવ્યો તો એને ‘દર્શન’નો લાભ થવો જ જોઈએ. ‘અમારી’ કોઈ સેવા કરે તો અમારે માથે એની જવાબદારી આવી પડે અને અમારે એને મોક્ષે લઈ જ જવો પડે.

જય સચ્ચિદાનંદ