જ્ઞાનની માતા ‘સમજ’

સંપાદકીય

અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી)ના મહાત્માઓને જ્ઞાનવિધિમાં આત્મજ્ઞાન તો મળ્યું, એમાં શું પ્રાપ્ત થયું ? હું શુદ્ધાત્માનું રટણ મહીંથી શરૂ થાય છે ? શું એ રટણ એ જ પ્રતીતિ છે ? પ્રતીતિથી આગળ શુદ્ધાત્માનો અનુભવ તરફ જવા માટે રોકે છે કોણ ? શું ત્યાં પ્રકૃતિ ભાગ ભજવે છે ? આજનું વર્તન એ ગયા ભવનો સારાંશ છે ને આજનું જ્ઞાન આપણને નવું મળ્યું છે, તે એ બેની વચ્ચે ઘર્ષણ ચાલ્યા કરે છે. દાદાશ્રી કહે છે કે વર્તનથી પરવશ છો તમે, તમારે ના કરવું હોય તો પણ થઈ જાય છે. એ ડિસ્ચાર્જ સ્વરૂપ છે, એમાં ગભરાવું નહીં. એની સાથે આપણે સહમત નથી.

દાદાશ્રી કહે છે કે ડિસ્ચાર્જ વર્તનને અમે જોતા નથી, આ વાત એકાંતે પકડી લેશો તો તમારું કાચું રહી જશે, અનુભવ નહીં થવા દે, તેમજ બીજી બાજુ વર્તન એ ફિલ્મ છે, એના માટે જો કકળાટ કરીશું તો જાગૃતિ ચૂકાશે. માટે હવે ચૂકવું નથી અને વાતને સમજવી છે.

જ્ઞાનની માતા સમજ છે ને એ સમજ જ્ઞાની પાસેથી પ્રાપ્ત થાય. સમજ એટલે દર્શન. આપણે તો સમજવાનું જ છે. જેમ જેમ સમજણ પડે તેમ સમાતો જાય. જ્ઞાન મળ્યા પછી આવરણો તૂટે છે, કર્તાપણું છૂટે છે. કારણો બધા ઊડી ગયા, હવે આ પરિણામ રહ્યા. પરિણામને શી રીતે ભોગવવા ? માટે સમજી લો!

મોક્ષ ક્યારે થશે ? તમારું જ્ઞાન ને સમજણ ભૂલ વગરની થશે ત્યારે. તમારી જ ભૂલોથી અટક્યા છો. હું ચંદુ છું, આનો ધણી છું... આવી કેટલીય પરંપરા ભૂલોની! માત્ર ‘હું કોણ છું’ એની અણસમજણ છે અને એનાથી જ મોક્ષ અટક્યો છે અને ‘હું કોણ છું’ એની સમજથી મોક્ષ છે!

પ્રસ્તુત અંકમાં દાદાશ્રી કહે છે કે સમજ એ તો કેવળજ્ઞાનની બિગિનિંગ છે.. અને સમજ એ જ પ્રતીતિથી અનુભવ સુધી પહોંચવાના માર્ગની ખૂટતી કડી છે. સમજણ એ તો કેટલાય અવતારોની સિલક સમાન છે. સમજ હંમેશા સમાવે. સમાવવાનો છેલ્લામાં છેલ્લો અંશ તે જ મોક્ષ. જે બુદ્ધિથી ઊભરાય છે, તે સમજથી સમાય છે.

આ ભવે જ સમજણ કેળવી જ્ઞાનથી અવળું વર્તન સ્ટોપ થઈ શકે એમ છે. જ્ઞાની પુરુષ તો ત્રણ લોકના નાથ કહેવાય, ત્યાં આગળ શું ના થાય ? તેના માટે જ્ઞાની પાસે બધું સમજી લઈએ. હવે મહાત્માઓને આ સમજણનો પુરુષાર્થ આદરી, અનુભવ સુધીની ક્ષપક શ્રેણીઓ મંડાય એ જ અભ્યર્થના.

~ જય સચ્ચિદાનંદ.

(પા.૪)

જ્ઞાનની માતા ‘સમજ’

વાત સમજીએ ત્યારે મેળ પડે

પ્રશ્નકર્તા : અમને આટલા બધા વર્ષો થયા જ્ઞાન લીધાને, તોય હજુ પ્રકૃતિ એનો ભાગ ભજવ્યા વગર કેમ નથી રહેતી ?

દાદાશ્રી : આ પ્રકૃતિ તો ભાગ ભજવે ને ! પ્રકૃતિ એટલે શું, એ ના સમજવું જોઈએ ? પ્રકૃતિ એટલે અન્ટાઈમલી (અકાળી) બોંબ. ક્યારે ફૂટે એ કહેવાય નહીં ! ફૂટવાની અવશ્ય, એ પોતાના કાબૂમાં નથી.

પ્રશ્નકર્તા : પણ દાદા, હજી કેમ સંયમ ના આવે ?

દાદાશ્રી : પણ એ તમારા કાબૂમાં નથી, છતાં એમ બોલવાની જરૂર નથી. એની ઉપર કંટ્રોલ કરવા જશો તો મૂરખ બનશો. એ કંટ્રોલ નહીં કરો તો વધારે મૂરખ બનશો. એટલે વાત સમજવાની જરૂર છે આપણે. સમજીએ ત્યારે મેળ પડે. સમજવાનું એટલે શું કે પ્રકૃતિને થયા કરે એ જોયા કરવાનું.

પ્રશ્નકર્તા : આપણને કોઈ કંઈ પણ અપમાનભર્યું કહે,ત્યારે આટલે વર્ષે આપણને સંયમ ન રહે, તો એનો અર્થ જ શું ?

દાદાશ્રી : એ તો મહીં પ્રકૃતિનો મોટો અવાજેય થાય. દસ વર્ષથી એ અવાજ નાનો થતો હોય ને તે દા’ડે મોટો થઈ જાય. કારણ કે મહીં દારૂ વધારે ભરાઈ ગયો હોય, માટે આપણે કશી ભાંજગડ કરવાની નહીં. એ આપણે જુદું ‘જોઈ’ શકીએ છીએ કે નહીં, એટલું જ સમજી લેવાની જરૂર હોય. પ્રકૃતિને જુદી જોવાય તો વાંધો નથી. જોવાય એટલે તમે છૂટા.

અમને વઢે તે ઘડીએ અમે છૂટા નહીં રહેતા હોઈએ ? માન આપે તે ઘડીએય છૂટા રહીએ અને વઢે તે ઘડીએ છૂટા રહીએ.

પ્રશ્નકર્તા : અમે છૂટા નથી રહી શકતા તે ઘડીએ. કોઈ અમને વઢે તો સામો જવાબ આપી દઈએ.

દાદાશ્રી : પણ ત્યાં એય તમારે ‘જોવાનું’ અને તે પછી તમારું ધ્યાન આવું થશે, ધીમે ધીમે. આ માર્ગે અમારે આ આવું થતું હતું, તે હવે આવું થવા માંડ્યું. હવે તમારે છે તે આવું થાય છે, તેનું વળી આવું થશે ધીમે ધીમે. એટલે માર્ગ ઉપર આવી રહ્યા છો.

મેં જે તમને જ્ઞાન આપ્યું ને, એ તમને દ્રષ્ટિ આપી કે આ રીલેટિવ દ્રષ્ટિ એ ઊંધી દ્રષ્ટિ છે બધી. આવતા ભવ ઉપર ભવ બંધાયા કરશે ને આપણું કલ્યાણ નહીં થાય. હવે દ્રષ્ટિ છે તે આત્મસન્મુખ થઈ. હવે એ ઊંધી દ્રષ્ટિ કાઢી આપી. ઊંધી દ્રષ્ટિ નીકળી ગઈ, એ દર્શનમોહ નીકળી ગયો. મોહના બે ભાગ, મોહના બે છોકરા; એક ઊંધી દ્રષ્ટિ અને એક વર્તન. તે હવે તમારું વર્તન એકલું રહ્યું, ઊંધી દ્રષ્ટિ જતી રહી. નવું વર્તન ઊભું થશે નહીં. એ જૂનું વર્તન છે એ ચારિત્રમોહ છે.

ન કઢાય ભૂલ વર્તનની

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી હજુ એમ રહ્યા કરે કે આપણે બધું વર્તનમાં તો આવતું નથી, ક્રોધ થઈ જાય છે. જેવી રીતે આપણે આદર્શ રીતે રહેવું જોઈએ એ રીતે રહેવાતું નથી, તો આ હજુ ચારિત્રમોહ જતો નથી ?

દાદાશ્રી : વર્તનની ભૂલ ના કાઢે તો ચારિત્રમોહ જશે અને વર્તનની ભૂલ કાઢશે તો ચારિત્રમોહ નહીં જાય. વર્તનની ભૂલ કાઢવાની

(પા.૫)

નહીં બિલકુલેય. શું વર્તન થાય છે એ જોયા કરવાનું. વર્તનની ભૂલ કાઢવી એટલે પોતે હતો તેનો તે જ દેહાધ્યાસ ઉત્પન્ન થયો કહેવાય. પોતે પાછો એ સ્વરૂપ થઈ ગયો ! મૂઆ, અજ્ઞાની હતો ત્યારે વર્તનની ભૂલ કાઢતો હતો. હવે જ્ઞાન થયા પછીય વર્તનની ભૂલ કાઢે છે ? જેવું વર્તન હોય, એ વર્તનની ભૂલ નહીં કાઢવાની બિલકુલેય. હવે એને જોયા જ કરવાનું. આ જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવમાં આવ્યા તમે, પહેલાં કર્તા સ્વભાવમાં હતા. એ જૂની આદત જતી નથી હજુ.

વર્તનમાં લાવવા મથે છે જગત

પ્રશ્નકર્તા : દાદાજી, આપ્તવાણી ખૂબ વંચાય અને વર્તનમાં જ્યારે એ સમજ ના આવે ને, ત્યારે સફોકેશન થાય પાછ\_.

દાદાશ્રી : જો પાછું વર્તનમાં લાવવા માંડ્યા ! વર્તનમાં નહીં લાવવાનું. વર્તન તો મહીં જે છે એ જ માલ નીકળશે, તમારે જોયા કરવાનું. શું વર્તન થઈ રહ્યું છે એ જોયા કરવાનું. વર્તનમાં લાવવા તો આ જગત આખું બેઠું છે ને !

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : વર્તનમાં આવતું નથી ને દહાડા વળતા નહીં એના ! તમારે તો વર્તનમાં શું છે ? આ ચંદુભાઈ વાંકા જ લાગે છે. તે પાછા વાંકા લાગે, તો ભલે વાંકા લાગે. પછી કહે, ‘ના, સરસ છે, સારા છે...’

પ્રશ્નકર્તા : તો સરસ લાગે.

દાદાશ્રી : હા, એકદમ સારા કરી નાખે તો પછી જોવાનું શું રહ્યું ? એટલે વાંકા હોય, એ સિનેમા જોવાની મજા આવે, નહીં ? કેવો સરસ માર્ગ છે, નહીં ? તપ નહીં, ત્યાગ નહીં, કશું નહીં ઉપવાસ નહીં અને આપણે એકલાએ જ કહ્યું ને કે ઊંઘમાં સુખ નથી, એ તો કોઈ જાણે જ નહીં ને માણસ ? હેય... ઘસઘસાટ ઊંઘે નિરાંતે, નાખોરા ધમધોકાર બોલાવીને.

આજનું વર્તન, ગત ભવના ફળરૂપે

મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ જે અંતઃકરણ છે ને, એ ગયા અવતારની આખી લાઈફનું આજે ફળ આપી રહ્યું છે. ગયા અવતારે તમે શું હતા, તે જ આજે ફળ આપી રહ્યું છે. અને આજના અવતારનું જ્ઞાન તમારામાં ‘ડિફર’ થાય છે (જુદું પડે છે) ! ગયા અવતારની શ્રદ્ધા જુદી બેઠેલી. જેવી શ્રદ્ધા બેઠેલી હતી તેવું જ્ઞાન થયું હતું ને આ અવતારમાં આજે વર્તન ગયા અવતારની શ્રદ્ધા ને જ્ઞાન પ્રમાણે થઈ રહ્યું છે ને આજનું જ્ઞાન આપણને નવું મળ્યું છે, તે એ બેની વચ્ચે ઝઘડા ચાલ્યા કરે છે.

કેટલાક માણસ મને કહે છે, ‘બળ્યું, આ ચોરી કરાતી હશે ? પણ મને ચોરીના જ વિચાર આવે છે.’ મેરચક્કર, એ સ્ટેશન પર તું હતો. જ્ઞાન-દર્શન જે ભરેલા છે, તે જ માલ નીકળે છે અત્યારે.

શ્રદ્ધા+ જ્ઞાન = વર્તન

વર્તન, બિલીફ (માન્યતા) અને જ્ઞાન એકબીજાને ડીપેન્ડન્ટ (આધારિત) છે. જેવી બિલીફ તેવું જ્ઞાન મળે અને તેવું જ વર્તન થઈ જાય. વર્તન એ કંઈ કરવાનું ના હોય.

‘જ્ઞાન એ જ આત્મા છે.’ જેવું જેવું જેને જ્ઞાન હોય તેવો તેનો આત્મા થાય. વિપરીત જ્ઞાન એટલે વિપરીત આત્મા થાય. જે જ્ઞાન ઉપર શ્રદ્ધા બેસે તેવો તે થઈ જાય. શ્રદ્ધા બેઠી એટલે શ્રદ્ધાને મદદ કરનાર જ્ઞાન મળી જાય ને જ્ઞાન અને શ્રદ્ધા એક મળે એટલે ચારિત્ર તેવું જ થાય. આત્મા તેવો જ થઈ જાય. કો’ક સાસુ તેની વહુને ગાંડી કહે, પણ જ્યાં સુધી વહુને શ્રદ્ધા ના બેઠી હોય

(પા.૬)

ત્યાં સુધી કોઈ ઈફેક્ટ (અસર) ના થાય. તે આખું જગત એને ગાંડી કહે, તો પણ તેને સાયકોલોજી ઈફેક્ટ (માનસિક અસર) ના થાય. પણ જો તેની શ્રદ્ધા ફરી, તો તે ખરેખર ગાંડી થઈ જાય ! માટે વક્કર જ ના પડવા દેવો આ જગતમાં કોઈનોય.

જેવી જેની પ્રતિષ્ઠા તેં કરી તેવો જ તારો પ્રતિષ્ઠિત આત્મા થાય.

શ્રદ્ધાની પ્રતીતિ ઉપર ઊભું જ્ઞાન

પ્રશ્નકર્તા : શ્રદ્ધા અને જ્ઞાનમાં ફેર શો ?

દાદાશ્રી : ‘શ્રદ્ધા’ એ અનડીસાઈડેડ જ્ઞાન છે, ‘જ્ઞાન’ એ ડીસાઈડેડ જ્ઞાન એટલે કે ‘અનુભવનું જ્ઞાન’ છે. બગીચામાં બેઠા હોઈએ અને કંઈક ખખડે તે હું કહું કે કંઈક છે, તમેય કહો કે કંઈક છે, આનું નામ કયું જ્ઞાન ? એનું નામ ‘શ્રદ્ધા’ અથવા ‘દર્શન’. પછી પાછા બધા તપાસ કરવા ઊઠીને ગયા. હાથ ફેરવીને બધાએ નક્કી કર્યું કે આ તો ગાય છે, તેને ‘જ્ઞાન’ કહેવાય. બિલીફમાં એટલે કે દર્શનમાં રોંગ પણ નીકળે કોઈવાર. સામાન્ય રીતે જાણવું તેને ‘દર્શન’ કહેવાય અને વિશેષ રીતે જાણવું તેને ‘જ્ઞાન’ કહેવાય.

‘જ્ઞાન’ કોનું નામ ? શ્રદ્ધાની પ્રતીતિ ઉપર ઊભું રહે તે. શ્રદ્ધા તો ‘જ્ઞાન’નું પહેલું પગથિયું છે. શ્રદ્ધા નથી તો ‘જ્ઞાન’ નથી.

પહેલી પ્રતીતિ બેસે. પછી તે પ્રમાણે જ્ઞાન થાય ને તે પ્રમાણે વર્તન થાય. પહેલાં મિથ્યાત્વપ્રતીતિ હતી, તે મિથ્યાત્વજ્ઞાન ઊભું થયું અને મિથ્યાત્વવર્તન ઊભું થયું. જ્ઞાન થાય એટલે વર્તન એની મેળે જ આવ્યા કરે, કશું કરવું ના પડે. મિથ્યાત્વશ્રદ્ધા અને મિથ્યાત્વજ્ઞાન ભેગું થાય એટલે વર્તન એની મેળે તેવું થઈ જ જાય કરવું પડતું નથી છતાં એ કરવાનું કહે છે, એ એનો અહંકાર છે. એણે એમ માન્યું કે કડિયાકામમાં જ મજા આવશે ને કડિયાકામમાં જ સુખ છે, તો એ ‘કડિયો’ થાય. પ્રતીતિ બેઠી એટલે કડિયાકામનું એને જ્ઞાન ઉત્પન્ન થાય. જ્ઞાન ને શ્રદ્ધા બે ભેગા થયા, એટલે વર્તન તરત આવડે જ. આમ હાથ મૂકે ને ઈંટ ચોંટે, હાથ મૂકે કે ઈંટ ચોંટે ! દરેક ઈંટ આમ જો જો ના કરવી પડે.

વર્તનથી પરવશ છો તમે

વર્તનને અને જ્ઞાનને કંઈ લેવાદેવા નથી. જ્ઞાન જ્ઞાનના સ્વભાવમાં ને વર્તન પુદ્ગલનું છે ! વર્તન શુભ હોય કે અશુભ હોય, શુદ્ધ ના હોય.વર્તનથી પરવશ છો તમે. વર્તન તમારા હાથમાં નથી, એ ડિસ્ચાર્જ સ્વરૂપે છે. ડિસ્ચાર્જ એની મેળે થાય છે. તમારે ના કરવું હોય તોયે થઈ જાય એવું છે. તે તમારે એમાં ગભરાવાનું કંઈ કારણ નથી કે આ મને અડશે. તમને શેનું અડે તે ? તમે તો અહીં ખાવાનું નાખ્યું, પછી સંડાસ તમને શેનું અડે ? સંડાસ સંડાસની જગ્યાએ જતું રહેશે.

એટલે આ અમારી આ અક્રમની શોધખોળ મોટામાં મોટી છે, કે જ્યાં આગળ ભાવકર્મ રહેતું જ નથી.

આ તો આ વિજ્ઞાન ફેલાવવા જેવું છે. આ વિજ્ઞાન સરસ છે. આ તમારી ક્રિયાઓની કશીય લેવાદેવા નથી. પ્રકૃતિ પરાણે કર્યા કરે છે, તમારી ઈચ્છા વિરુદ્ધ કર્યા કરે છે.

એક ફેરો એક મધર કહે છે, ‘દાદાજી, આ જ્ઞાન મને આપ્યું છે, મારા દીકરાને જ્ઞાન આપ્યું છે. હવે એ દીકરા ઉપર મને રાગ કેમ આવે છે ?’ મેં કહ્યું, ‘આવતો હશે રાગ ? જ્ઞાન આપ્યા પછી રાગ હોતો હશે ? રાગ-દ્વેષ તો અજ્ઞાનને કારણે છે.’ ત્યારે મને કહે છે, ‘શું છે એ ?’ મેં કહ્યું, ‘ટાંકણી અને લોહચુંબક જોયું હોય ને, ત્યારે ખબર પડે કે આ લોહચુંબકની જોડે આ ટાંકણી

(પા.૭)

કેમ આઘીપાછી થાય છે. શું કારણ હશે ? આ બધું લોહચુંબક મહીં ઈલેક્ટ્રિકલ બૉડીથી ચાલ્યા કરે છે અને આ લોકોને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, કે હું થઈ ગયો.’ સાચી શ્રદ્ધા તો જાગૃતિપૂર્વકની હોવી જોઈએ. આ તો ‘હું ચંદુભાઈ’ કરીને ચાલે એ જ અજાગૃતિ છે.

સ્વરૂપની માત્ર શ્રદ્ધા જ બેસે, તો જગતમાં કોઈ જગ્યાએ ડર લાગે જ નહીં, ભય જતો રહે.

શ્રદ્ધા - અનુભવ - વર્તન

એક માણસ આ જાણતો હોય કે અબ્રહ્મચર્ય કરવું એ ખોટું છે. બ્રહ્મચર્ય પાળવામાં જ નિરંતર શ્રદ્ધા છે. પછી અનુભવમાં પણ એવું આવ્યું અને વર્તનમાં ના પણ હોય.

પ્રશ્નકર્તા : એટલે શ્રદ્ધા અનુભવ સુધી પહોંચે ?

દાદાશ્રી : શ્રદ્ધામાં આવ્યું, હવે એ શ્રદ્ધામાં આવેલી વસ્તુ ધીમે ધીમે અનુભવમાં આવતી જાય. અનુભવ સંપૂર્ણ થાય ત્યારે વર્તનમાં જાય. એ વર્તનમાં ના પણ હોય. પણ તેથી કરીને આપણે એનું વર્તન જોવાનું નથી, શું શ્રદ્ધા છે એ જોવાની. કારણ કે ત્રણ એટ એ ટાઈમ થતું નથી.

પ્રશ્નકર્તા : એક-એક, સ્ટેપ બાય સ્ટેપ છે.

દાદાશ્રી : હા. તેથી આ જોખમદારી અમે લઈએ છીએ ને ! એ અમે જાણીએ છીએ કે અમે આ શ્રદ્ધા ફેરવીશું પછી વાંધો નહીં. બીજું છો ને લોકો બૂમો પાડે. એટલે અમે એ શ્રદ્ધા ફેરવી આપીએ. ચક્કર કાઢીને છેટા રહી જઈએ છીએ અને લોકો વર્તન ફેરવવા જાય છે. એ એનો રસ્તો જ નથી. વર્તન ક્યારે ફરે ? બિલિફ ફરે કેટલા અવતાર થાય, ત્યાર પછી વળી જ્ઞાન ફરે ત્યારે વર્તન ફરે. તેથી આ જોખમદારી અમે લઈએ છીએ ને !

શ્રદ્ધા એની ફરી છે કે નહીં, એટલું જ જોવાનું. આવું આ વિજ્ઞાન કોઈ નહીં બોલે બહાર, બહાર વર્તન ખોળશે.

પ્રતીતિનું ફળ અનુભવ

તમે જાણનાર છો ખાલી. નકામા હાય હાય કરવી અને હાય હાય થતી હોય તોય ચંદુભાઈને થાય, તમને શું ? અને જેમ જેમ આ જ્ઞાન પરિણામ પામશે ને તેમ તેમ એય બધું ઊડી જશે. ચંદુભાઈ પોતેય જ્ઞાની થઈ જશે. પરિણામ પામવું જોઈએ. ત્યારે લોક કહે છે, મહીં અમલમાં નથી આવતું. અલ્યા, અમલમાં લાવવાનું જ નથી. આ જ્ઞાન અમલવાળું નથી. કારણ કે આને પ્રતીતિ જ કરાવવાની જરૂર છે તમારે.

પ્રશ્નકર્તા : પછી પ્રતીતિ કામ કરે.

દાદાશ્રી : આ તકલાદી છે તેની પ્રતીતિ બેઠી. એ પ્રતીતિનું ફળ શું આવે ? રોજ રોજ અનુભવ થતો જાય કે આ તકલાદી છે, તકલાદી જ છે. અને પછી એને વર્તનમાં આવે કે આ તકલાદી, અડે નહીં પછી.

આપણે આત્મપક્ષના છીએ, પણ સંસારપક્ષ છૂટતો નથી. શ્રદ્ધા બેસી ગઈ છે કે આ ખોટું છે. પછી વર્તનમાં આવવું એનો ટાઈમ લે. એટલે ત્યાં સુધી બુદ્ધિ કામ કર્યા કરે. એ પોતાને ખબર પડે કે આ ડખો કરે છે. કારણ કે શ્રદ્ધા બેસી ગયેલી છે. એટલે પોતે જાણે છે કે આ ખોટું છે, છૂટવું છે. છતાંય પણ આ છૂટકો જ ના થાય ને !

પ્રશ્નકર્તા : તો એ વર્તનમાં ક્યારે આવે પાછું ?

દાદાશ્રી : પહેલું શ્રદ્ધામાં આવી જાય, એ સમજણમાં આવી જાય, શ્રદ્ધા ઉત્પન્ન થઈ. દાદાએ કહ્યું એ સમજણ મને ફીટ થઈ ગઈ. આત્મા, આત્મા થઈ ગયો ને બીજું, બીજું થઈ

(પા.૮)

ગયું. બન્ને જુદું પડી ગયું. તે સમજણમાં આવી જાય. પછી છે તે ધીમે ધીમે છે તે જ્ઞાનમાં આવે, એટલે અનુભવમાં આવે અને અનુભવમાં આવ્યા પછી વર્તનમાં આવે.

પ્રતીતિ એ કૉઝ, વર્તન એ પરિણામ

કૉઝ પહેલાં બદલાય ને પરિણામ પછી બદલાય. એટલે ‘જણસો-બણસો(દાગીના) બધું હવે કામનું જ નથી અને આ સંસારના પૈસા-બૈસા કોઈ ચીજની જરૂર નથી’ એવી પ્રતીતિ બેસી જાય એને. પણ ગણતી વખતે તો ચોક્કસ હોય. કારણ કે ગણતી વખતે પેલા પાછલાં પરિણામ છે અને આ પ્રતીતિ એ કૉઝ છે. માટે અમે પરિણામને ના જોઈએ, અમે પ્રતીતિ શું બેઠી એ જોઈએ. પછી ખસી જઈએ, અમે જાણીએ કે આ કૉઝ થયું, એટલે પેલા આવશે પરિણામ. અમે પછી વઢીએ નહીં અને પેલાં તો કચકચ કરે. ‘દાદાનું જ્ઞાન લીધું તોય આવી ને આવી રહી.’ ભઈ, આ તો પરિણામ છે એના. પણ એ સમજણ ના પડે એટલે પેલી પણ ચિડાય. પછી કહેશે, ‘મેલને છાલ, આના કરતાં પહેલાં હતાં તે સારું હતું.’ એટલે પ્રતીતિમાં આવેલું હોય તેય ઊડી જાય.

એટલે આ અવળું દેખાય છે, તે પરિણામ છે પહેલાંનાં. વર્તન બધાં પરિણામ છે અને અંદર પ્રતીતિ એ પુરુષાર્થ છે. એ પુરુષાર્થનું ફળ આવશે. અને આ પહેલાંના પુરુષાર્થનું અત્યારે ફળ આવ્યું. હજી તો કોઈ જગ્યાએ ધંધામાં ખોટ જાય તો અકળામણ થઈ જાય, એનું શું કારણ છે ? અકળામણ એ પહેલાંનું પરિણામ છે, આ આજનું પરિણામ નથી.

આ આપણા મહાત્માઓને જ્ઞાન છે, બધુંય છે, પણ પ્રતીતિમાં છે ને પ્રતીતિને અમે સર્વસ્વ કહીએ છીએ. ભલે તારા વર્તનમાં નહીં હોય, તેની મારે જરૂર નથી. તારી પ્રતીતિમાં છે, તો બધું સર્વસ્વ થઈ જાય. કારણ કે પ્રતીતિવાળો સર્વસ્વ થશે અને સર્વસ્વવાળો સર્વસ્વ હોય યા ના પણ હોય.

આજ છે તે વર્તન બહુ સુંદર હોય, પણ મહીં પ્રતીતિ શેની પર બેઠી હોય કે અમેરિકા જઈને સારો બિઝનેસ કરવો છે. પ્રતીતિ ક્યાં છે એ જોવું જોઈએ, બીજો ભાગ જોવાનો નથી.

હવે આપણા મહાત્માઓ છે, તે એની વાઈફે કપડાંની બેઉની પેટી જોડે જોડે મૂકી હોય, તો વાઈફે પોતાનાં થોડાં કપડાં ધણીની બેગમાં મૂકી દીધા. અને પછી ધણી જુએ તે બૂમ પાડે છે કે મારી પેટીને તું અડી જ કેમ ? લે, એને આ જ્ઞાન છે, પ્રતીતિ છે. લે મૂઆ પણ વર્તન આવું ? ત્યારે કહે, એ તો વર્તન તો આવું જ ને ! હજુ વર્તન બદલાયું નથી. વર્તન બદલાતાં વાર લાગશે. ‘મારી પેટીને અડી જ કેમ ?’ આ મારી ને તારી કરી નાખેને કે ના કરે ? ‘તારી પેટી’ અહીંથી લઈ જા, મેલ પૂળો અહીંથી. હવે એ માલ પહેલાંની પ્રતીતિનો ભરેલો છે. આજે જે પ્રતીતિ છે, હવે એનો માલ ભરાશે ત્યારે જોઈ લેજો આ. એટલે અમે એ પ્રતીતિ અને એનાં જ્ઞાનને ફેરવીએ છીએ, એની પ્રતીતિ બેસે એટલે એને માટે સત્યુગ થઈ ગયો. પ્રતીતિ બેઠા પછી બહુ ભાંજગડ નથી આવી.

સમતા રહે ત્યારે પ્રગટે અનુભવજ્ઞાન

એક માણસ મને પૂછતો’તો, ‘‘દાદા, મને આખો દહાડો ‘શુદ્ધાત્મા છું’ એમ ભાન રહે છે પણ તે રૂપ મારાથી થવાતું નથી હજુ.’’

અલ્યા, શાનો તે રૂપ થવા ફરે છે ? હજુ તો તને પ્રતીતિ બેઠી છે, કે ‘હું શુદ્ધાત્મા છું.’ પ્રતીતિ બેસે એટલે શું થાય, એ અંદર જે બીજ હતા તે બધાં બળી ગયા. એ ફરી નવા ઊગવાલાયક રહ્યાં નહીં. પણ હવે નિવેડો તો આવવો જોઈએ ને પાછલાં બીજનો ? તે પાછલાં બીજમાંથી ફળ આપીને જાય પછી. તે જેટલાં ફળ આપીને જાય,

(પા.૯)

તેટલું અનુભવજ્ઞાન પ્રગટ થાય. પ્રતીતિમાંથી પછી આગળ વધે. એટલે અનુભવજ્ઞાન ક્યારે પ્રગટ થાય ? ત્યારે કહે, કડવાં-મીઠાં ફળ આવે, એમાં સમતા રહે એવું એને અનુભવજ્ઞાન હોય. વીતરાગતા રહે, એ અનુભવજ્ઞાન થાય તેમ તેમ જ્ઞાન પ્રગટ થતું જાય. અનુભવજ્ઞાન પ્રગટ થયા પછી વર્તનમાં આવે, ત્યારે તું સંપૂર્ણ શુદ્ધાત્મા થઈ જઈશ. જ્યાં સુધી માલ ભરેલો છે એ નીકળી જાય ત્યારે વર્તનમાં આવે, એમને એમ કંઈ આવતું હશે ?

પ્રશ્નકર્તા : પાંચ આજ્ઞાઓ ફોલો કરવાનું (પાળવાનું) પણ ઘણી વખત ભૂલી જવાય છે.

દાદાશ્રી : ના, સમજી લેવાની. બીજું કશુંય નહીં. આચરણમાં લાવવાનું નથી. આચરણ તો એની મેળે આવી જ જાય. આ આજ્ઞા સમજી લીધી, કે વોટ ઈઝ રિયલ એન્ડ વોટ ઈઝ રિલેટિવ, એ સમજાય જાય એટલે દ્રષ્ટિ જ આપણી ખરેખર બદલાઈ જાય. પેલું જરા હેન્ડલ મારવું પડે એક મહિનો સુધી, પહેલાની ટેવ પડેલી ને ! તે કાંઈ ખસેડવા માટે, બાકી આમ સહજ થઈ જાય પછી.

સમજથી સ્થિર થઈ સમાતો જાય

ક્રમિક માર્ગમાં કેટલો પ્રયત્ન કરે ત્યારે આત્માનું લક્ષ ખ્યાલમાં આવે. એ લક્ષ તો બેસે જ નહીં. એ પોતે લક્ષમાં રાખ્યા કરે. જેમ આપણે ધંધો હોય ને, ધંધાની બાબત લક્ષમાં રાખવાની હોય ને, એવું આત્માને લક્ષમાં રાખ્યા કરે, આવો છે આત્મા. તે એને પ્રતીતિ બેસે ત્યારે આવું લક્ષમાં રહી શકાય. એને ગુણ પર પ્રતીતિ બેસે. બાકી આ આપણો તો આત્માનુભવ કહેવાય. કારણ કે સહજતા એનું નામ અનુભવ કહેવાય, જે એની મેળે પ્રાપ્ત થાય અને પ્રયત્ન કરવો પડે, એનું નામ અનુભવ નહીં. ક્રમિકમાં એમને પ્રતીતિ એ બધું કરવું પડે. પ્રતીતિમાં પ્રયત્ન કરવો પડે.

પણ તમારો આત્માનુભવ એ અંશ અનુભવ છે અને અક્રમથી તમને સહજ પ્રાપ્ત થયેલો છે ને, તે તમને એમાં લાભ થાય પણ હજુ પ્રગતિ માંડશો તેમ અનુભવ વધતો જશે. જેમ જેમ જાગૃતિ ઉત્પન્ન થાય, ત્યાર પછી આખી વાત સમજવી પડે. પરિચયમાં રહીને જ્ઞાન સમજી લેવાનું છે બધું.

પ્રશ્નકર્તા : જ્ઞાનને સ્થિર કરવા શું સાધન કરવું પડે ?

દાદાશ્રી : સાધન કરવાનું ના હોય. જ્ઞાનને સ્થિર કરવા સમજવાની જ જરૂર. કરવું પડે તો સ્થિર ના થાય. કરવું પડે ત્યાં સહજતા જતી રહે, સ્થિર ના થાય. સમજવું પડે તો સ્થિર થાય.

પ્રશ્નકર્તા : જેમ સમય જાય, એમ આ જ્ઞાન સજ્જડ થતું જાય ?

દાદાશ્રી : સમજણ પડે તેમ સમાતો જાય. આપણે તો સમજવાનું એકલું જ છે. મેં જે જ્ઞાન આપ્યું, તેનાથી આવરણ બધાં તૂટી ગયા, કર્તાપણું છૂટી ગયું, કારણો બધાં ઊડી ગયા. હવે એ પરિણામ રહ્યા. પરિણામને શી રીતે ભોગવવું ? એના માટે આ સમજી લો ! સમજથી બધો ઉકેલ આવે અને એટલું બધું સમાઈ જાય કે ‘જાણે’ એકલું જ. પેલો ગાળ દીધા કરે ને આ ‘જાણ્યા’ કરે એટલું જ, ના રહે એવું ?

જેટલો સમજ્યો તેટલો સમાઈ જાય. જેટલો સમાઈ ગયો એટલી મુક્તિ. અહીં જ મુક્તિનો અનુભવ થાય. સમાઈ જવું એટલે મોક્ષમાં, પોતાના ‘સ્વરૂપ’માં સમાઈ જવું.

સમજ એટલે દર્શન

પ્રશ્નકર્તા : દાદા, આ સમજ કોને કહેવી ?

દાદાશ્રી : સમજ એટલે દર્શન. જે જ્ઞાન જાણીએ ખરાં પણ વર્તનમાં ના આવે, એ સમજ

(પા.૧૦)

કહેવાય અને જે જ્ઞાન વર્તનમાં આવે, તે જ્ઞાન કહેવાય.

સમજ જ્ઞાનમાં પરિણામ પામે એટલે વર્તનમાં પરિણામ પામે. દેખવામાં આવ્યું એટલે સમજમાં આવ્યું ને જાણવામાં આવ્યું એટલે જ્ઞાનમાં આવ્યું. દેખવામાં ને જાણવામાં બહુ ફેર. સમજ હંમેશા સમાવે. સમાવવાનો છેલ્લામાં છેલ્લો અંશ તે મોક્ષ. બુદ્ધિથી ઉભરાય છે ને સમજથી સમાય છે. સાચી સમજ ક્યારેય ભૂંસાય નહીં.

અવળી સમજણ એ દુઃખ છે ને સવળી સમજણ એ સુખ છે. સમજણ કઈ મળે છે તે જોવાનું. અવળી સમજણની આંટી પડી તો દુઃખ, દુઃખ ને દુઃખ અને એ આંટી છૂટી ગઈ તો સુખ, સુખ ને સુખ ! બીજું દુઃખ-સુખ છે જ નહીં આ દુનિયામાં ! વિનાશી વસ્તુમાં પોતાનું સુખ માનવું ને ‘પોતાનું’ અવિનાશી સુખ ના સમજવું એ ‘રોંગ બિલિફ’, તે મિથ્યાદર્શન ને ‘રાઈટ બિલિફ’ તે ‘સમ્યક્ દર્શન’ ! પોતે ‘પોતાના’ સેલ્ફને સમજે તો પોતે જ પરમાત્મા છે !

આવરણ તૂટતાં બિલીફમાં આવે

પ્રશ્નકર્તા : આપ સમજાવો છો એ સમજ અને પોતાના સ્વરૂપની સમજ, એમાં કનેક્શન શું છે ?

દાદાશ્રી : પોતાના સ્વરૂપની સમજ તો બેઠી. પણ એની રક્ષા માટે બીજી સમજ નહીં જોઈએ ? એને પણ જ્ઞાન કહે છે. તમને એવી સમજ પાડી કે આ જગતનું સત્ય એ રીલેટિવ સત્ય છે, તો આ સમજ પાડી એય જ્ઞાન છે.

હું જે કહું છું તે દેખાય, એ તમને ખાતરી થઈ જાય. તમને આવરણ તૂટ્યું એટલે તમે સમજ્યા, આ અમારા શબ્દ બોલવાથી, કે ‘ભઈ, આ બધું છે તે સ્પેસના આધારે છે, આ મનુષ્યોનાં મોઢાં ને એ બધુંય.’ હવે એ આવરણ બીજાને ના તૂટ્યું હોય તો એને ખબર ના પડે.

પ્રશ્નકર્તા : આપની વાણીથી આવરણ તૂટ્યા, તો એની અસર શી થઈ ?

દાદાશ્રી : આવરણ તૂટ્યું માટે બિલીફમાં આવ્યું, પણ જ્ઞાનમાં નથી આવ્યું. જ્ઞાનમાં પોતાને ક્યારે આવે ? પછી એવું રૂપ અનુભવ થાય ત્યારે એ જ્ઞાનમાં આવે. પણ આ વાણીથી આવરણ તોડીને બિલીફ ઊભી થાય, આ માન્યામાં આવી જાય, પ્રતીતિ થાય કે આ ખરું જ છે. આવરણ તોડે અને પ્રતીતિ થાય, બેઉ સાથે થાય.

સમજણને ગ્રહે તે પ્રજ્ઞાશક્તિ

પ્રશ્નકર્તા : સમજ પાડો છો એ પહોંચે છે કોને ? દેહને કે આત્માને ?

દાદાશ્રી : આત્માને જ ને ! એ પણ કયો આત્મા ? જે શુદ્ધાત્મા છે તે નહીં, પ્રજ્ઞા નામની શક્તિ છે, તેની જોડે સત્સંગ ચાલ્યા કરે. દેહનેય નહીં, દેહ ને આત્મા બેની વચ્ચેની શક્તિ છે, તેને પહોંચે છે. પ્રજ્ઞાશક્તિ જ સમજે છે આ. અહીં સમજાવે, તેને કેચ અપ-ગ્રહણ કરે છે એ પ્રજ્ઞાશક્તિ છે.

પ્રજ્ઞાશક્તિ ક્યાં સુધી રહે છે કે આપણે આ જ્ઞાન મળે તેથી આત્મા થયા, પણ હજુ આત્મા શ્રદ્ધામાં, પ્રતીતિમાં, દર્શનમાં છે પણ જ્ઞાનમાં નથી આવ્યો, આ ચારિત્રમાં નથી આવેલો, ત્યાં સુધી પ્રજ્ઞાશક્તિ કામ કર્યા કરે.

પ્રજ્ઞા એ શું ? આત્માથી જે પરાયું છે, તેને ક્યારેય પોતાનું ના થવા દે અને પોતાનું છે તે ક્યારેય પરાયું ન માનવા દે તે પ્રજ્ઞા ! પ્રજ્ઞા એ તો આત્માનું જ અંગ છે અને તે નિરંતર આત્માને મુક્તિ આપવાનું જ કાર્ય કરે. જેમ જેમ પ્રજ્ઞા ખીલતી જાય તેમ તેમ વર્તન બદલાતું જાય.

(પા.૧૧)

વર્તન બદલાય એટલે બોજો ઓછો લાગે. ‘પોતાનું’ અને ‘પરાયું’ એમ હોમ ડિપાર્ટમેન્ટ અને ફોરેન ડિપાર્ટમેન્ટ બન્નેને છુટ્ટાં જ રાખે છે તે પ્રજ્ઞા છે, તે જ આત્મા છે, તે જ ચારિત્ર છે. વર્તન એ જ ચારિત્ર. એ વર્તન એટલે ‘સ્વ’ અને ‘પર’ને એકાકાર ના થવા દે તે. સત્સંગથી પ્રજ્ઞાશક્તિ ખીલે.

સમજ ધીમે ધીમે જ્ઞાનરૂપે પરિણમે

પ્રશ્નકર્તા : સમજવાનું કે વર્તનમાં આણવું જોઈએ ?

દાદાશ્રી : વર્તનમાં મૂકવાનું છે જ નહીં, વર્તનમાં આવવું જોઈએ. સમજ્યાનું ફળ શું ? ત્યારે કહે, ‘વર્તનમાં આવે જ !’ સમજણ હોય છતાંય વર્તનમાં ના આવે ત્યાં સુધી એને ‘દર્શન’ કહેવાય અને વર્તનમાં આવે એને ‘જ્ઞાન’ કહ્યું.

પ્રશ્નકર્તા : સમજ, જ્ઞાન અને વર્તન સમજ્યા હોય પણ વર્તનમાં ન આવે.

દાદાશ્રી : હા, એ જ્ઞાન વગર વર્તનમાં ના આવે. સમજ એટલે ‘અનડીસાઈડેડ’ વાત.

મારી વાત તમને ઠોકી બેસાડવાની નથી. તમને પોતાને જ સમજમાં આવવું જોઈએ. મારી સમજ મારી પાસે. ઠોકી બેસાડવાથી તો કશું કામ જ ના થાય. તમને એ સમજ બેસી જાય પછી તમે એ સમજથી ચાલો. જ્ઞાનમાં કશું કરવાની જરૂર નથી, સમજવાની જરૂર છે. જ્ઞાનમાં અને સમજમાં કંઈ ફેર હશે ખરો ? તમે મારી પાસે વાતને સમજો. એ સમજ ધીમે ધીમે જ્ઞાન રૂપે પરિણામ પામે. જ્ઞાન જાણીએ ખરા, પણ વર્તનમાં ના આવે તે સમજ.

શાસ્ત્રોમાં જાણવા ગયો એ જ્ઞાન ક્રિયાકારી નથી અને આ સમજ ક્રિયાકારી છે. તમારે કંઈ કરવું ના પડે, અંદરથી જ્ઞાન જ કર્યા કરે. ક્રિયાકારી જ્ઞાન એ ચેતનવંતું જ્ઞાન છે, એ જ વિજ્ઞાન છે, એ જ પરમાત્મ જ્ઞાન કહેવાય છે. આ શુષ્કજ્ઞાનને વાંઝિયું જ્ઞાન કહેવાય છે. પપૈયા આવે નહીં ને મહેનત સરખી ! આખું મનુષ્યપણું નકામું જાય છે, માટે કંઈક સમજવું તો પડશે જ ને ? અહીં ખાલી સમજવાનું જ છે, કરવાનું કંઈ નથી. જ્યાં કરવાનું છે ત્યાં મોક્ષનો માર્ગ નથી. જ્યાં સમજવાનું છે તે જ મોક્ષનો માર્ગ છે.

જ્ઞાન એટલે પ્રકાશ, સમજ નહીં

પ્રશ્નકર્તા : ‘જ્ઞાન એટલે પ્રકાશ, સમજ નહીં’ તે સમજાવો.

દાદાશ્રી : જ્ઞાનથી પ્રકાશ આપણે ધરીએ કોઈને તો એને સમજમાં આવે કે આ વાત આવી રીતે કરવાની છે. જ્ઞાનનો પ્રકાશ ના હોય તો સમજમાં જ આવે નહીં ને ! સમજ વસ્તુ જુદી છે અને જ્ઞાન વસ્તુ જુદી છે. જ્ઞાન આપણે બોલીએ, એટલે એની સમજમાં આવે કે સ્ટેશન આ બાજુ છે, આમ છે, તેમ છે. આ રસ્તેથી આ રસ્તે, એની સમજણમાં બેસી જાય. કહેશે, ‘હા, બરોબર. હા, મને ખ્યાલ આવ્યો.’ એટલે સમજણ વસ્તુ જુદી છે. જ્ઞાન એ પ્રકાશ છે અને સમજણ એટલે એ પ્રકાશથી આપણને ફળ મળે છે અને ફળથી પછી કાર્ય થાય છે.

અહીંથી સ્ટેશન જવાનું જ્ઞાન એ તમને સમજણ પાડે. જ્ઞાન કહે પહેલું, નકશો ચીતરી આપે બધો, તો તમારી સમજણમાં આવે. પછી તમે કહો કે મને સમજણ પડી. જ્ઞાન કોઈ દેખાડે તો પછી શું કહો તમે ?

પ્રશ્નકર્તા : સમજણ પડી.

દાદાશ્રી: ‘મને સમજણ પડી !’ એ સમજણ એ વસ્તુ જુદી છે ને જ્ઞાન વસ્તુ જુદી છે. સમજણ પડે એ વર્તનમાં આવે પછી. સમજણ ના હોય તો જ્ઞાન ગમે એટલું પ્રકાશ ધરીએ તોય વર્તનમાં આવે નહીં.

(પા.૧૨)

સમજ છેવટે જ્ઞાનરૂપે પરિણમે

જ્ઞાનની માતા કોણ છે ? સમજ છે. માતા વગર પુત્ર થાય નહીં ને ? કે કોઈ પુત્ર ઉપરથી પડેલો ? એટલે માતા તો જોઈએ ને ? જ્ઞાનની માતા સમજ છે. એ સમજ ક્યાંથી પ્રાપ્ત થાય ? એ જ્ઞાની પાસેથી સમજો. શાસ્ત્રો પાસેથી સમજો. શાસ્ત્ર પાસેથી પૂરી સમજ ના થાય; પણ અમુક સમજ થાય.

અમે આ જ્ઞાન આપીએ છીએ એ ‘કેવળદર્શન’ છે. એટલે એમાં બધી જ સમજ આવી ગઈ. હવે સમજમાંથી વર્તન ઊભું થાય પણ સમજ જ ના હોય તો ? વર્તન ક્યારેય ના આવે.

સમજ કોનું નામ કહેવાય કે ઠોકર ના વાગે. આખો દહાડો ઠોકરો ખાયા કરતો હોય અને હું સમજું છું, જાણું છું કરે. તે અલ્યા, શેને સમજ કહે છે ? સમજ અને જ્ઞાનમાં ફેર શો ? જે સમજ વર્તનમાં ના આવે ત્યાં સુધી એ જ્ઞાનને સમજ કહેવાય છે. એ સમજ ધીમે ધીમે ‘ઑટોમેટિકલી’ જ્ઞાનરૂપે પરિણામ પામે. વર્તનમાં આવે ત્યારે જાણવું કે આ જ્ઞાન છે, એટલે ત્યાં સુધી સમજ સમજ કરો.

જે સમજ જ્ઞાનમાં પરિણામ પામી તે દહાડે તે વસ્તુ તમારી પાસે નહીં હોય. તમારે કશું કરવાનું નથી. ગ્રહણ-ત્યાગના આપણે અધિકારી જ નથી, કારણ કે આ મોક્ષમાર્ગ છે. ગ્રહણ-ત્યાગના અધિકારી, શુભાશુભ માર્ગમાં હોય, ભ્રાંતિમાર્ગમાં હોય, આ તો ‘ક્લીઅર’ મોક્ષમાર્ગ છે.

વર્તનમાં આવે ત્યારે એ જ સમજ જ્ઞાનરૂપે પરિણામ પામે છે. દાદાએ જે સમજ પાડી હોય તે અનુભવ કરાવ્યા કરે. એમ કરતાં કરતાં અનુભવજ્ઞાન થતું થતું જ્ઞાનરૂપે એ પરિણામ પામે, તે દહાડે ‘એ’ (દોષ) નહીં રહે.

પૂર્ણ સમજ અને પૂર્ણ અનુભવ એ જ જ્ઞાન

સમજ અને અનુભવ બે ભેગું થાય ત્યારે જ્યોતિ થાય. અમારી સમજમાં વર્તે અને અનુભવમાં વર્ત્યા કરે એટલે જ્યોતિ મહીં રહે અને પછી એ જ્યોતિ ઊભરાય. જોડે બેઠો હોય તેય સુખિયો થઈ જાય.

પ્રશ્નકર્તા : દાદાજી, આપે કીધું કે સમજ અને અનુભવ એ જ્યોતિ. એટલે આ કેરી મીઠી છે એ સમજ અને ખાઈએ ને ગળી વર્તાય અને અનુભવ થાય, એ જ્યોતિ થઈ ?

દાદાશ્રી : અનુભવ, એ કેરી આવી હતી એ અનુભવ રહેવો જોઈએ. થિયરેટિકલ એ અનુભવ ના કહેવાય, એ તો સમજ કહેવાય અને પ્રેક્ટિકલ એ અનુભવ છે.

પ્રશ્નકર્તા : આપે હમણાં જે કીધું કે સમજમાં આવે અને અનુભવમાં વર્તાય એ એક શબ્દ જ બધી સમજ આપે. બધું જ એમાં આવી જાય.

દાદાશ્રી : સમજ ફુલ (પૂર્ણ) ને અનુભવ ફુલ એનું નામ જ્યોતિ. એ જ્યોતિ એ જ જ્ઞાન, એ જ પરમાત્મા.

પ્રતીતિ પછી પ્રવર્તન ભણી જાય

પ્રશ્નકર્તા : એ આમ તમે કહો છો ને દાદા, એટલું સહેલું નથી દેખાતું. ખરેખર કહું. તમે કહો કે આ થઈ ગયું, કબૂલ. અહીંયા હું બે કલાક બેસું ત્યારે એમ લાગે કે હું અનાસક્ત થઈ ગયો પણ બહાર નીકળ્યો ને ચંપલ ન મળે, તો જુઓ મારી આસક્તિ !

દાદાશ્રી : હા, બરાબર છે. ચંપલ ના જડે ત્યારે ખરું ! એ વાત તો તમને સમજાય ને પણ ?

પ્રશ્નકર્તા : હા.

(પા.૧૩)

દાદાશ્રી : હવે અહીં જ્ઞાન પ્રાપ્ત થયા પછી શું થયું એ કહું તમને ? ભલે એ મનમાં માની બેસે કે મારે બધું થઈ ગયું છે, પણ શું થયું તે કહું કે ‘હું અનાસક્ત છું’ એ પ્રતીતિ બેઠી છે, વર્તનમાં નથી એ. હવે એ પ્રતીતિ બેઠા પછી ધીમે ધીમે ધીમે એના તરફ, એના પ્રવર્તન ભણી જયા જ કરે છે. અત્યારે માની બેસે કંઈ દહાડો વળે ? નહીં. એટલે આ જે ચંપલ જડતા નથી અને તેમાં આસક્તિ દેખાય છે તે ‘આ મારું સ્વરૂપ ન્હોય, હું અનાસક્ત છું’ એમ કહેવું.

સમજાય તેમ આવે વર્તનમાં

આપણને કહે કે રસ્તો હું સમજી ગયો અને પછી ગયો ઊંધે રસ્તે. એટલે આપણે ના સમજીએ કે આ સમજ્યો નહોતો ! જો સમજ્યો હશે તો તે પ્રમાણે રસ્તે પછી ભૂલો પડે નહીં. માર્ગમાં આપણે ભૂલા પડીએ નહીં એવું સમજી લો અને ભૂલા પડ્યા એટલે તો સમજ્યા ન્હોતા. અને પાછો કહે શું કે હું સમજ્યો હતો. સમજમાં આવે એટલે પછી પરિણામ એ પ્રમાણે થાય જ ને ! અમલમાં આવે ને ! તમને તો બધું આવે છે સમજમાં ! સમજમાં ના આવે તો વર્તનમાં નાય આવે. બધા મહાત્માઓને જેમ જેમ સમજમાં આવતું જાય છે એમ વર્તનમાં જોઉં છું પછી. મને ખબરેય પડે કે આમને સમજમાં બેઠું અને વર્તનમાં આવ્યું.

પ્રશ્નકર્તા : એનો મતલબ એ કે કષાયો જાય, એટલે કે કોઈ પણ જાતનો કષાય ઊભો ના થાય એટલે સમજમાં આવ્યું જ કહેવાય ને ?

દાદાશ્રી : એ તો બહુ ઊંચું સમજમાં આવી ગયું. એ તો ઘણી ઊંચી સમજ આવી ગઈ, એ તો વાત જ જુદી !

સમજ જ્ઞાનમાં પરિણમવા ખપે સમયમર્યાદા

પ્રશ્નકર્તા : વીતરાગ વિજ્ઞાન વીતરાગ વિજ્ઞાની પાસે પામ્યા પછી, પૂરી સમજ આવ્યા પછી, સમજ જ્ઞાનમાં પરિણમવાની કોઈ સમયમર્યાદા ખરી ?

દાદાશ્રી : સમયની મર્યાદા તો ખરી ને ! હંમેશાં જ્ઞાન આપણી પાસે હોય, તેને પ્રગમતાં ટાઈમ લાગે છે. જેમ આ દૂધ હોય, એમાં સહેજ દહીં નાખીએ પછી તરત દહીં માંગીએ તો ના બને, એને માટે છ કલાક કે આઠ કલાક જોઈએ. ના જોઈએ ? એવી રીતે આ સમજ જ્ઞાનમાં પરિણમે એ અમુક ટાઈમ પછી થાય.

પ્રશ્નકર્તા : બધાને જુદી જુદી રીતે થાય ?

દાદાશ્રી : હા, દરેકને જુદી જુદી રીતે, જેવાં આવરણ. કોઈને બે કલાકમાંય થઈ જાય અને કોઈને બે વર્ષમાંય ના થાય. આવરણ ઉપર આધાર રાખે છે, મોહ ઉપર આધાર રાખે છે.

જેટલી જેની સમજણ પાકી એટલું એનું જ્ઞાનમાં ‘ડેવલપમેન્ટ’ થતું જાય. એ ક્યારે થશે એની ચિંતા નહીં કરવાની. એ તો એની મેળે જ જ્ઞાનમાં પરિણામ પામવાનું. અજ્ઞાન એની મેળે જ છૂટી જવાનું. માટે સમજ સમજ કરવાનું અહીં. જ્ઞાન જ કામ કરી રહ્યું છે, તમારે કશું કરવાનું નહીં. ઊંઘમાંય જ્ઞાન કામ કરી રહ્યું છે, જાગતાંય કામ કરી રહ્યું છે ને સ્વપ્નમાંય જ્ઞાન કામ કરી રહ્યું છે.

પ્રશ્નકર્તા : જે સમજણ આવી અને વર્તનમાં આવે, એ બે વચ્ચેનો જે ટાઈમ ખરો, એની અંદર જે કંઈ પણ ક્રિયા થાય, એ ચાર્જ કે ડિસ્ચાર્જ છે ?

દાદાશ્રી : ના, ચાર્જ નહીં. એ ડિસ્ચાર્જ ના થાય ત્યાં સુધી ટાઈમ જાય બધો. કારણ કે પાતળું હોય તો ઊડી જાય, એક અવતારમાં. બહુ જાડું હોય તો વાર લાગે. પણ અનુભવમાં આવી જવું જોઈએ.

(પા.૧૪)

એક અણુ જેટલું પણ સુખ ના લાગવું જોઈએ સંસારમાં, ત્યારે અનુભવમાં આવી ગયું કહેવાય, વર્તનમાં. અત્યારે રાત્રે સૂઈ ગયો હોય અને ઊંઘ સારી આવી ગઈ હોય તો કહે, ‘હાશ, સારી ઊંઘ આવી.’ તો પણ આ શેમાં સુખ લાગે ? ત્યારે કહે, આ ઊંઘમાંથી. એ આત્માનું સુખ નથી. તો હવે એ બધું સંસારનું સુખ તો પ્રતીતિથી ઊડી ગયું. આ જ્ઞાન મળ્યા પછી, આત્મા મળ્યા પછી બધું ઊડવા જ માંડે, એ ધંધો શો ? ઊડવા જ માંડ્યું. નહીં તો લાખ અવતારે ઊડે નહીં.

અનુભવ થતા બદલાય સુખની શ્રદ્ધા

એટલે તે સમજણમાં આવ્યું. સમજણનો અર્થ પ્રતીતિ બેઠી કે સોનામાં સુખ નથી, પણ પછી વર્તનમાં સુખ તો લાગે છે હજુ. સોનામાં સુખ નથી એ સમજણ બેસી ગઈ આપણને, આત્મા જુદો પડ્યો એટલે, પણ પછી જ્ઞાનમાં આવ્યું નથી. જ્ઞાન એટલે અનુભવમાં નથી આવ્યું. એ જ્યારે સોનું પહેરેલું હોય, તે કો’ક મારીને લઈ જાય, ત્યારે થાય કે ‘બળ્યું, આ સોના પર મોહ જ ખોટો છે.’ એ માર ખવડાવ્યો પછી જ્ઞાનમાં આવ્યું. એ અનુભવમાં આવ્યું એટલે પછી વર્તનમાં આવે. એ સોનું ના પહેરે પછી. હવે સોના ઉપરથી શ્રદ્ધા ઊઠી ગઈ ?

પ્રશ્નકર્તા : હા, ઘણી ઊડી ગઈ.

દાદાશ્રી : સોના ઉપરથી શ્રદ્ધા ઊઠી ગઈ. હજુ વર્તનમાં રહ્યું છે, એનું શું કારણ છે ? જેટલો માલ ભરેલો છે એટલો વખત વર્તન રહેશે, પછી તો આ પહેરવાનુંય મન નહીં થાય. એવી રીતે શ્રદ્ધા બધી ઊઠતી જાય. સોનામાં જે સુખ માન્યું હતું, લક્ષ્મીમાં સુખ માન્યું હતું, જે બધું સુખ માન્યું હતું, તે સુખની શ્રદ્ધા ઊઠતી જાય અને પેલી (આત્મલક્ષી) શ્રદ્ધા બેસતી જાય. હવે સોના ઉપર બહુ ભાવ થતો નથી ને ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : પછી શોપીંગનું ?

પ્રશ્નકર્તા : શોપીંગ તો બંધ. જે જરૂરી હોય એ વસ્તુઓ લેવી પડે, પણ જે પહેલાં હતું કે હું આ લઉં, તે લઉં, એ બધું ઊડી ગયું.

દાદાશ્રી : બધું ઊડી જશે ધીમે ધીમે અને મનમાં શાંતિ રહેશે. પેલું તો શોપીંગ કરતાંય અપાર દુઃખ, ડૉલરો ખર્ચતાંય મહીં આકુળ-વ્યાકુળ અને આ ખર્ચો નહીં ને શાંતિ !

સમજ વર્તનમાં આવવી ઘટે

પ્રશ્નકર્તા : દાદા, સમજ્યા હોય એટલે વર્તનમાં આવે જ ?

દાદાશ્રી : સમજણ તેનું નામ કહેવાય કે વર્તનમાં આવે. પણ હજુ સમજણ વર્તનમાં ના આવતી હોય. સમજણમાં હોય છતાંયે વર્તનમાં ના આવે ત્યાં સુધી એને ‘દર્શન’ કહ્યું ભગવાને અને વર્તનમાં આવે તેને ‘જ્ઞાન’ કહ્યું ભગવાને. એની એ જ સમજણને ‘જ્ઞાન’ કહ્યું પાછું. કેવું ? વર્તનમાં આવવી જ ઘટે. વહેલી-મોડી પણ વર્તનમાં આવ્યા વગર રહે નહીં. વર્તનમાં આવે એટલે એને જ્ઞાન કહ્યું, અને તમને સમજણમાં હોય કે આ કરવા જેવું નથી, છતાં વર્તનમાં ના આવતું હોય, તો એ દર્શન છે.

વર્તનમાં હોય તે નિરંતર ખ્યાલમાં હોય

પ્રશ્નકર્તા : દાદા, વર્તનમાં આવે એ કેવું હોય ?

દાદાશ્રી : એ જુદી જાતનું હોય.

પ્રશ્નકર્તા : હવે આજે અમે સાંભળ્યું, શ્રદ્ધા બેઠી, અંદર ફીટ થયું અને હંડ્રેડ પરસેન્ટ આ વાત જ કરેક્ટ છે એવું લાગ્યું.

(પા.૧૫)

દાદાશ્રી : એ લાગે ખરું, પણ વર્તનમાં ના આવે. એટલે એ ખ્યાલમાં ન રહે નિરંતર.

પ્રશ્નકર્તા : હા, નિરંતર ખ્યાલમાં ન રહે.

દાદાશ્રી : નિરંતર એ વર્તનમાં હોય તો નિરંતર ખ્યાલમાં રહે. જેવું વર્તનમાં હોય એવું ખ્યાલમાં હોય. એટલે એ વર્તનમાં હોય નહીં ને ! એ ધીમે ધીમે, ટપકે ટપકે વધતું જાય. પણ રસ્તો જાણે તો ટપકે ટપકે વધશે. બધાય એ રસ્તે જઈ રહ્યા છે, પણ એ છેવટે માર ખાય છે. સાફ કરવા જાય છે, ચોખ્ખું કરવા જાય છે, પણ જે આજે કરવા જાય તે રૂપ થઈ જાય એકવાર. એ સમજો છો ખરા ?

પ્રકૃતિમાં ડખો એ જ પરધર્મ

પ્રશ્નકર્તા : મોક્ષ અનુભવાય છે, પણ પ્રકૃતિ એનો સ્વભાવ છોડતી નથી. તેનો કંટાળો આવે છે.

દાદાશ્રી : પ્રકૃતિ એનો સ્વભાવ છોડે જ નહીં ને ! ઘર આગળ સરકાર ચોગરદમ ગટર ખોલે તો ગટર એનો ગુણ આપે કે ના આપે ?

પ્રશ્નકર્તા : આપે.

દાદાશ્રી : તે ઘડીએ તમારે કઈ દ્રષ્ટિએ રહેવું પડે ?

પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા.

દાદાશ્રી : આપણને એશઆરામ કરવા જઈએ તો ગંધ આવે, એટલે જ્ઞાતા-દ્રષ્ટા જ રહેવું. પ્રકૃતિમાં ગટરો-બટરો આવે, ત્યારે તેમાં જાગૃત રહેવું.

પ્રશ્નકર્તા : ‘આપણે’ ‘પાડોશી’ને ‘જોયા’ કરીએ અને તેને વાળીએ નહીં, તો એ કેમ ચાલે ? એ દંભ ના કહેવાય ?

દાદાશ્રી : આપણને વાળવાનો શો અધિકાર ? ડખલ કરવાની નહીં. એ કોણ ચલાવે છે, એ જાણો છો ? આપણે ચલાવતા નથી, આપણે વાળતાય નથી. એ ‘વ્યવસ્થિત’ને તાબે છે. તો પછી ડખો કરીને શું કામ છે ? જે આપણો ‘ધર્મ’ નથી, તેમાં ડખો કરવા જઈએ તો પરધર્મ ઉત્પન્ન થાય.

બહાર બગડેલું, અંદર સુધરતું

પ્રશ્નકર્તા : આ તો પેલું પ્રકૃતિ એકદમ ઊંધું-ચત્તું કરી નાખે ને, ત્યારે એને અંદર સફોકેશન (ગૂંગળામણ) થાય જબરજસ્ત.

દાદાશ્રી : અરે, એ બધું એવું થાય છે કે પાંચ-પાંચ દહાડા સુધી ખાય નહીં. અલ્યા, તે ગુનો કોનો ને કોને માર માર કરે છે ! પેટને શું કરવા મારે છે ? ગુનો મનનો અને મારે છે પેટને. કહેશે, ‘ખાને કા નહિ તુમ્હે.’ તો આ શું કરે બિચારો ? શક્તિ જતી રહેને, બિચારાની. એણે ખાધું હોય તો બીજું કંઈ કાર્ય કરી શકે. એટલે પછી આપણા લોકો કહે છે, પાડાના વાંકે પખાલીને શું કરવા ડામ દે છે ? વાંક પાડાનો છે, મનનો છે અને આ પખાલીનો, દેહનો બિચારાનો શું ગુનો ?

અને બહાર ખંખેર ખંખેર કરવાથી શું દહાડો વળે ? જે આપણી સત્તામાં જ નથી ! પછી વગર કામની બૂમાબૂમ કરીએ એનો શો અર્થ ? પણ અંદર બધો પૂંજો વાળવો પડે, અંદરનું બધું ધોવું પડે. આ તો બહારનું ધોઈ નાખે છે, ગંગાજીમાં જાય તોય દેહને ઝબકોળ ઝબકોળ કરે. અલ્યા, દેહને ઝબકોળીને શું કામ છે ? મનને ઝબકોળ ને ! મનને, બુદ્ધિને, ચિત્તને, અહંકારને, એ બધાંને, અંતઃકરણને ઝબકોળવાનું છે. આમાં સાબુય કોઈ દહાડો ઘાલ્યો નથી. પછી બગડી જાય કે ના બગડી જાય ?

નાની ઉંમર હોય ત્યાં સુધી સારું રહે. પછી દહાડે દહાડે બગડે ને પછી કચરો પડે. એટલે

(પા.૧૬)

આપણે શું કહ્યું કે તારા આચાર બહાર મૂકતો જા અને આ લેતો જા. આ બધું જૂઠ છે તે બહાર મૂકતો જા ને આ કલમો ભાવતો જા, તો આવતો ભવ થઈ ગયો ઉત્તમ !

પ્રશ્નકર્તા : આપે તો કહ્યું ને, કે ચા પીતાં જઈએ પણ અંદર પેલું ચાલતું હોય કે ન પીવાય, ન પીવડાવાય કે પીતા પ્રત્યે ન અનુમોદાય...

દાદાશ્રી : હા, એટલે એનો અર્થ એટલો જ કે, ‘આપણે આમાં સહમત નથી’ એવું કહેવા માગીએ છીએ. એટલે છૂટાં છીએ. અને ચા જ્યારે એની મેળે ખરી પડે ત્યારે ખરું. પણ હવે આપણે એને વળગ્યા નથી, એ આપણને વળગ્યું છે. એની મુદ્દત પૂરી થશે એટલે જતું રહેશે એવું કહેવા માગીએ છીએ. એક બાજુ ચા પીતા હોય અને એક બાજુ આ ભાવના બોલો, તો પીધેલું ઊડી જાય ને આ ભાવની શરૂઆત થઈ ગઈ.

ત્યારે લોકો કહે કે ‘આવો સાહેબ, આવો સાહેબ.’ ત્યાં પણ મનમાં શું હોય કે ‘અત્યારે ક્યાંથી મૂઆ ?’ જ્યારે આ શું કહે છે ? ચા પીવે છે પણ ‘આ ન હોવું જોઈએ.’ એટલે પેલો એથી ઊંધું કહે છે. બહાર ‘આવો પધારો’ કહે છે ને પાછો મહીં કહે છે કે ‘આ ક્યાંથી મૂઆ ?’ તે એ સુધરેલું બગાડે છે અને આપણે બગાડેલું સુધારીએ છીએ.

પ્રશ્નકર્તા : આખા ‘અક્રમ વિજ્ઞાન’ની અજાયબી જ આ છે કે બહાર બગડેલું છે અને અંદર સુધારી રહ્યા છે.

દાદાશ્રી : હા, એટલે સંતોષ રહે ને આપણને કે ભલે આ બગડી ગયું તો બગડી ગયું, પણ આ નવો ઘાણ તો સારો થવાનો. એક ઘાણ બગડ્યો એ ગયો, પણ નવો સારો થશે ને ? ત્યારે પેલાં લોકો શું કહે છે ? ‘આ છે એ ઘાણને જ સુધારવો છે.’ અલ્યા, મેલ છાલ. જવા દે ને, અહીંથી. નવુંયે બગડી જશે. આ તો ઘાણેય ગયો ને તેલેય ગયું.

પ્રશ્નકર્તા : અત્યારે બગડેલું છે, એના જવાબદાર અત્યારે આપણે નથી. એ ગયા અવતારનું પરિણામ છે.

દાદાશ્રી : હા, અત્યારે આપણે જવાબદાર નથી. અત્યારે એ સત્તા બીજાના હાથમાં છે. જવાબદારી આપણા હાથમાં નહિ ને ! આ તો ફરવાનું નથી ને હાય હાય શું કરવા કરે છે વગર કામનો ?

સમજણમાં છૂપી અહિંસક કળા

પ્રશ્નકર્તા : જ્ઞાનને આટલા બધા વર્ષ થયા તો આપણામાં પ્રકૃતિ સામે એટલો સંયમ આવી જ જવો જોઈએ ને ?

દાદાશ્રી : એ બરોબર છે પણ દાદા ભેગા ના થયા હોત તો શી દશા હોત ?

પ્રશ્નકર્તા : ઓહોહો ! તો તો પછી વાત જ કરવા જેવી નથી !

દાદાશ્રી : ત્યાર પછી વાત કરો છો ! કેટલા મહેલ તોડી નાખે એવી શક્તિ ! હા ! પછી એમને જ્યાં વિરોધાભાસ હોય ત્યાં આગળ તમે સાચવીને કામ લો. પ્રકૃતિ એટલે મશીનરી કહેવાય અને મશીનરી જોડે આમ આડાઈ કેમ કરાય ? મશીનને એમ કહીએ, પેલા ગિયરને, કે જો હું આંગળી અડાડું, મેં તને બનાવ્યું છે. તારે આ મારી આંગળીને નહીં નડવાનું. પણ એ તો કાપી જ નાખે, એ આપણે બનાવ્યું હોય કે ગમે તેણે. કારણ કે મિકેનિકલ એડજસ્ટમેન્ટ છે. આ પ્રકૃતિ મિકેનિકલ છે. એટલે આપણે એવું દાદા પાસે શીખી લેવાનું, તે આ મિકેનિકલ એડજસ્ટમેન્ટ બધું ઢીલું પડી જાય. થાય કે ના થાય એવું ? અમારી પાસેથી કળા એક વખત શીખી જવાની.

(પા.૧૭)

આ બોધકળા એટલે અહિંસક કળા છે, હિંસક કળા નહીં. હા, મોક્ષે લઈ જનારી. માટે આટલો અવતાર હવે બગાડશો નહીં હવે !

અમે બિલીફને જ જોઈએ

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી જે આ બધા મહાત્માઓ છે, એમની ચિત્તવૃત્તિ ધીમે ધીમે એક જગ્યાએ ભેગી થાય ને ?

દાદાશ્રી : આવડતું હોય તો એક થઈ રહે. હવે કાચો ના પડે ને ! અમારા વિજ્ઞાનમાં રહે તો એકાગ્ર થઈ જ જવાની છે, એક અવતારમાં. એવું છે ને, ભલે વર્તનમાં ના હોય પણ બિલીફમાં છે ને !

પ્રશ્નકર્તા : હા, બિલીફમાં છે.

દાદાશ્રી : ત્યાર પછી બિલીફમાં છે એ સત્ય, ભલે વર્તનમાં ના હોય. વર્તન એ આપણા હાથની, કાબૂની વાત નથી પણ બિલીફમાં છે ને ?

પ્રશ્નકર્તા : બિલીફમાં પૂરેપૂરું.

દાદાશ્રી : નહીં તો વર્તનમાં જો કદી ના આવે અને વર્તનની ‘નેસેસિટી’ (જરૂરિયાત) હોત તો અમારે બધાને વઢવું પડત. અમે વર્તનને જોતા નથી, બિલીફને જોઈએ છીએ કે તમારી બિલીફ ક્યાં છે ? અમારું વર્તન ને બિલીફ એક જ પ્રકારના હોય. તમારું વર્તન જુદી જાતનું હોય ને બિલીફ જુદી જાતની.

બધે શું કહે છે ? વર્તન સુધારો. ત્યારે મને દેખાડ એકુંય વર્તન કોઈએ સુધારેલું ? સંડાસ જવાની શક્તિ નથી, તે શી રીતે વર્તન સુધારે ? વર્તન સુધારવાવાળા આવ્યા ! તે બધાય ધર્મવાળા વર્તન સુધારો, કહે છે. પણ અલ્યા ! આચાર, વિચાર ને ઉચ્ચાર તો સુધરતા હશે ? શેનાથી સુધરે એ શોધખોળ કર. તે અમારી તો વૈજ્ઞાનિક ઢબ છે આ, નહીં તો કોઈ માણસ આ દુનિયામાં સુધરેલો નહીં. આ તો કુદરત જ્યાં આગળ થાપોટ મારે છે, ત્યાં આગળ એ જાય છે, બસ. એનો પોતાનો મહીં કશો પુરુષાર્થ નથી અને આ તો વિજ્ઞાન આવ્યું, ત્યાંથી આ માણસ ફર્યું. આ વિજ્ઞાન આચાર, વિચાર ને ઉચ્ચાર માગતું જ નથી ને ! જગત તો એ જ માંગતું હતું. એટલે કહે, ‘આ ભાઈ અવળું બોલે છે, તેને આપણે ધર્મિષ્ઠ કેમ કહેવાય ?’ ‘અલ્યા, અવળું બોલે છે, તેને આપણે શું લેવા ?’ એમની ‘બિલીફ’ શું છે, એ જો ને ?

પ્રશ્નકર્તા : હા, બરોબર, બિલીફ જ જોવી જોઈએ.

દાદાશ્રી : ભલે ને, અત્યારે દેશી કપાસ છે પણ એના નવા બી કયા નંખાય છે તે જુઓ ને ! આપણે બી તો ખાસ્સાં મોંઘા ભાવના લાવ્યા છે, એની તૈયારીઓ કરવા માંડી છે, ખાતર લઈ આવ્યા, એટલે આપણે ના જાણીએ કે આવતું વર્ષ ફક્કડ આવવાનું છે !

તમારી પહેલાની ‘બિલીફ’ રોંગ હતી, સમ્યક્ નહોતી કરાવી ત્યાં સુધી. તે એનું આ ફળ આવ્યું છે. તે તો તમારે ભોગવ્યે જ છૂટકો. પણ અત્યારે ‘બિલીફ’ તમારી જુદી જગ્યાએ છે, ઐશ્વર્ય એક કરવા તરફ જ ‘બિલીફ’ છે અને આમ વર્તનમાં ઐશ્વર્ય રહેતું નથી, વૃત્તિઓ રહેતી નથી. તે એનો વાંધો નથી પણ ‘બિલીફ’ ક્યાં છે એ જોયા કરવું. બસ રાતદહાડો ‘બિલીફ’ ક્યાં છે એ જોયા કરવું ને એ ‘બિલીફ’ને ટેકા આપ આપ કરવા અને એ ‘બિલીફ’ને વિટામિન આપ આપ કરવું. આમ આ વર્તન જોઈને ગભરાવાનું કોઈ કારણ નથી. આ વર્તન જોઈને ગભરાવાનું તો કોને કહીએ કે આ જેને બાળરમત હોય ને, નાનાં છોકરાં ભાન વગરનાં હોય, ત્યારે એને ટૈડકાવ ટૈડકાવ કરીએ. તમને કંઈ ટૈડકાવીએ છીએ કોઈ દહાડો ? ના

(પા.૧૮)

ટૈડકાવીએ. આ છોકરાંઓ બધાંને ટૈડકાવ ટૈડકાવ કરવાં પડે.

પ્રતીતિમાં કદી ડાઘ ના પાડવો

આ લોકો કહે છે કે અમે અમારા દોષો છે એ જાણ્યા પણ હવે કાઢી આપો. તમે અમને મારો-કરો, જે કરવું હોય એ કરો, પણ દોષ કાઢી આપો. હવે એના માટે શું રસ્તો ?

દોષ કેવી રીતે પેઠો, એ તમે તપાસ કરો. ત્યાર પછી ખબર પડે. દોષ નીકળે કેવી રીતે ? પેઠો તે ઘડીએ ઘાલવો નથી પડતો. એટલે કાઢવા વખતે કાઢવો ના પડે. જે વસ્તુ ઘાલેલી હોય તે કાઢવી પડે. આ તો મને કહે છે, ‘દોષ કાઢી આપો.’ અલ્યા પણ એ શાથી પેસી ગયાં ? ત્યારે કહે, ‘એક માણસ એવા કુસંગમાં ગયો. તે એને ખાતરી થઈ કે આ મઝા કરે છે અને આ રસ્તો બહુ સરસ, સુખનો.’ એને એ જ્ઞાન પર શ્રદ્ધા બેસી ગઈ, પ્રતીતિ બેસી ગઈ.

એવી રીતે હું આમને શું કરું છું ? જે એમની ભૂલો છે એ નકારે છે કે ‘અમારામાં બિલકુલેય ભૂલ નથી એવી, લોકોનામાં ભૂલ છે.’ એ એમની ભૂલ એમને દેખાડું છું. પછી એમને પ્રતીતિ બેસે છે, હંડ્રેડ પરસેન્ટ (સો ટકા) કે આ બધી ભૂલો જ છે. એ અમે એક્સેપ્ટ (સ્વીકાર) કરીએ છીએ. ‘આ ભૂલ અમને કાઢી આપો.’ કહે. મેં કહ્યું, ‘હવે કાઢવાનું ના હોય. પ્રતીતિ બેસી ગઈ, એ જ નીકળવા માંડી. તારે ફક્ત મન ખુલ્લું રાખવાનું કે ભઈ, તમે ચલે જાવ. બસ, એટલું જ બોલવાની જરૂર.’ પ્રતીતિ બેસવાથી જ ભૂલ જતી રહે ને પ્રતીતિ બેસવાથી ભૂલ પેસે. ઘાલવા-કાઢવાનું ના હોય એ તો. આ તો કંઈ કારખાના છે ? તે એક ભૂલ કાઢવી હોય તો કેટલોય વખત થાય તે ? અવતારોના અવતારો જાય. સમજાય એવી વાત છે ને આ બધી ?

પ્રતીતિ, એમાં ડાઘ ના પાડવો જોઈએ.

‘ચંદુ’ ખેદમાં ને ‘તમે’ જ્ઞાનમાં

અત્યાર સુધી તો કહેતા હતા કે મને થયું, પણ હવે જ્ઞાન પછી એનો સહકાર ન કરો કે મને થયું ! અલ્યા, તમને શી રીતે થાય ? તમને તો દાદાએ જુદા બનાવ્યા ! જુદા નથી પાડ્યા ?

પ્રશ્નકર્તા : જુદા જ છીએ.

દાદાશ્રી : હા, ત્યારે જુદું જ રાખવું જોઈએ ને ! આખું જગત સાયકોલોજિકલ રોગથી પીડાય છે, ‘મને થયું’ કહીને. ‘મારો જ વેવાઈ મને ગાળો ભાંડી ગયો’, કહે.

કોઈ ભૂલ કરી હોય અને ખેદ ના થાય તેય ખોટું. ખેદ તો થવો જ જોઈએ. તેને આપણે જાણ્યા કરીએ કે ચંદુભાઈ બહુ ખેદમાં છે. તે આપણે ચંદુભાઈનો ખભો થાબડી આપીએ. આનું અવલંબન લઈને ખેદ બંધ કરી દે તો પાછું કાચું રહી જશે. ખેદ તો થવો જોઈએ. જેણે અવળું કર્યું, તેનો ખેદ તો એને થવો જ જોઈએ. એટલે ખેદ થાય ત્યારે પછી આપણે કહેવું કે ‘હવે ભૂલના પ્રતિક્રમણ કરો, પ્રત્યાખ્યાન લો. અમે છીએ ને તમારી જોડે. ચાલો શક્તિ માગો.’ આ તો અક્રમ વિજ્ઞાન છે.

મહીં જોયા કરવાથી જ શુદ્ધિકરણ

આપણા મહાત્માઓને, પહેલું મન શુદ્ધ થાય ત્યારે વાણી શુદ્ધ થાય. વાણી શુદ્ધ થાય ત્યારે વર્તન શુદ્ધ થાય. પણ પહેલું મન શુદ્ધ થવું જોઈએ. જેટલા અંશે મન શુદ્ધ થયું એટલા અંશે વાણી શુદ્ધ થાય. જેટલા અંશે વાણી શુદ્ધ થઈ એટલા અંશે વર્તન શુદ્ધ થશે. વર્તન છેલ્લામાં છેલ્લું થાય. વર્તનની બહુ કિંમત નથી. ભગવાને વર્તનની કિંમત બહુ ગણી નથી. જગતે વર્તનની કિંમત ગણી છે. વર્તન તો ઘી તાવ્યા પછી, ગરમ કર્યા પછી આવે ! જે ટાઢું થયેલું ઘી હોય તે ઢળી ન જાય, માટે કંઈ વર્તનમાં આવ્યું નથી એવું ના કહેવાય. એને ગરમ

(પા.૧૯)

કરે એટલે પાછું એવું થાય. અક્રમ વિજ્ઞાનીનું કહેવું એ જ છે કે જગત જે આખું માને છે, તેનાથી આ જુદું કરે છે. જગત આખું આને માને છે, વર્તનને. તારે મનમાં ગમે તે હશે પણ વર્તનમાં તો બહુ સારું છે ને એ અક્રમ જ્ઞાની ના પાડે છે કે મૂઆ, જોખમ તો આમાં છે. તારું વર્તન ગમે તેટલું સારું હોય પણ મન તારું બગડેલું છે એ આવતા ભવનો હિસાબ છે અને આ વર્તનનો તને આ ભવમાં જશ મળી જશે પણ આવતો ભવ બગડ્યો ને ? ત્યારે જગતને આવતા ભવની નથી પડેલી. અત્યારે સારું-સારું દેખાય. કારણ કે સમ્યક્ દ્રષ્ટિ નથી એને, એને મિથ્યાદ્રષ્ટિ છે.

મહાત્માનું વર્તન ખોળવા જાય તો કશો દહાડો ના વળે. વર્તન તો કેટલાય કાળે હાથમાં આવે એવું છે. અને આ કાળ એવો નથી. આ સ્લિપિંગ કાળ છે, લપસણો કાળ છે. આમાં આપણે હવે દહાડો વળે નહીં. એના કરતાં મેલ પૂળો. વર્તનને બાજુએ મૂકી મનોશુદ્ધિ થવા દો. આત્મા શુદ્ધ થઈ ગયો. પહેલી મનની શુદ્ધિ થયા જ કરે નિરંતર. આત્મા શુદ્ધ થયો એટલે મનમાં જેટલું ડિસ્ચાર્જ થાય એને જોયા કરીએ, એટલું શુદ્ધ થયું મન.

પરમ વિનયથી ખૂલે સમજના દ્વાર

પ્રશ્નકર્તા : આ જ્ઞાન મહાત્માઓને આપ્યું, તો હવે એના આચરણમાં આ જ્ઞાનનું પ્રગટીકરણ કેટલું થવું જોઈએ ?

દાદાશ્રી : વ્યવહારમાં પ્રગટ થતાં વાર લાગશે ! કારણ કે તમારો આચાર જે છે ને, એ આચાર બદલાય નહીં તમારો, એટલે વાર લાગે. અમારે આચાર બધા ખલાસ થઈ ગયા હોય એટલે અમારે વાંધો નહીં, પણ તમે મારા જેટલા જ જ્ઞાની, પણ તમારો આચાર બરોબર ના હોય.

પ્રશ્નકર્તા : એટલે આપ જ્ઞાની છો ને પેલા ભાઈએ જ્ઞાની છે, તો એમાં તરતમતા ખરી ?

દાદાશ્રી : (‘હું શુદ્ધાત્મા છું’ એ જ્ઞાન બન્નેને સરખું એટલે) જ્ઞાનમાં ફેર નહીં, આચરણમાં ફેર !

પ્રશ્નકર્તા : તો એ વસ્તુ આચરણમાં લાવવી બહુ કઠિન કામ છે ?

દાદાશ્રી : આચરણમાં લાવવાનું હોય જ નહીં. અક્રમ એટલે આચરણ નહીં. એ અનુભવ તો એની મેળે આવ્યા જ કરે. કારણ કે આ ડિસ્ચાર્જ છે ને, તે નિકાલ જ કરવાનો છે. બીજું કશું કરવાનું નથી.

અમે શું કહીએ કે એમના આચાર ભણી ના જોશો. એમને પઝલ સોલ્વ થયેલું છે. જે મનના વિચાર, વાણીના ઉચ્ચાર અને દેહના આચાર એ બધાં છે તે ડિસ્ચાર્જ વસ્તુ છે. ડિસ્ચાર્જ વસ્તુને કોઈ માણસ ફેરવી શકે નહીં અને ચાર્જ વસ્તુ જુદી છે. ચાર્જ એ બદલી શકાય. આચાર-વિચાર-ઉચ્ચાર ન બદલી શકાય, કારણ કે ડિસ્ચાર્જ છે એ. આ લોકો ડિસ્ચાર્જને જો જો કર્યા કરે છે.

આચરણ એનું નામ કે યથાર્થ સમજમાં આવવું. આચરણમાં દુર્ગંધ શેનાથી ફેલાય છે ? ‘ઈગોઈઝમ’ ને બીજા દુર્ગુણથી. અહંકાર ઓગળે તો જ ‘પરમ વિનય’ ઉત્પન્ન થાય. ક્રિયા લાખ અવતાર કરીશ તોય કશું વળશે નહીં. ‘પરમ વિનય’થી મોક્ષ છે. ‘પરમ વિનય’થી ‘સમજ’ના દ્વાર ખૂલી જાય છે.

ના કરાય દોષનું રક્ષણ

પ્રશ્નકર્તા : આપ સીમ્પટમ્સ્ (લક્ષણો) જોતાં નથી અને મૂળ કૉઝની (કારણની) દવા કરો છો, એવા ડૉક્ટર ક્યાં મળે ?

દાદાશ્રી : એવા ડૉક્ટર નથી તેની તો આ ભાંજગડ છે ને ! એવા ડૉક્ટર મળ્યા નથી અને દવાય મળી નથી, એટલે પછી આ ચાલ્યું

(પા.૨૦)

તોફાન ! એટલે પછી પરિણામને ઝૂડ ઝૂડ કરવા માંડ્યા, ઈફેક્ટને !

‘છીંકણી સુંઘાય’ એ શ્રદ્ધાથી પેઠું, એ પ્રતીતિ સંપૂર્ણ બેઠી, એટલે એ છીંકણી પેઠી અને હવે ‘છીંકણી ખોટી છે’ એ પ્રતીતિથી ઊતરે (છૂટે). સંપૂર્ણ પ્રતીતિ થવી જોઈએ કે આ દોષ જ છે. એટલે નીકળી જશે. આ જ નિયમ છે. પછી એને રક્ષણ ના કરે, પ્રોટેક્શન (રક્ષણ) ના આપે તો ચાલી જાય, પણ પાછો પ્રોટેક્શન આપે જ. આપણે કહીએ, ‘સાહેબ, આ છીંકણી સુંઘો છો હજુ ?’ ત્યારે કહે, ‘એ વાંધો નહીં.’ એ પ્રોટેક્શન આપ્યું કહેવાય. મનમાં જાણે કે આ ખોટું છે. પ્રતીતિ બેઠી હોય, પણ પાછું પ્રોટેક્શન આપે. પ્રોટેક્શન ના આપવું જોઈએ. આપે ખરા પ્રોટેક્શન ?

પ્રશ્નકર્તા : હા, પ્રોટેક્શન આપે જ ને !

દાદાશ્રી : આબરૂ જતી રહેલી, છે જ ક્યાં આબરૂ ? આબરૂવાળો તો આ કપડાં પહેરીને ફરતો હશે ? આ તો ઢાંક ઢાંક કરે છે આબરૂ ! ઢાંકી ઢાંકીને આબરૂ રાખ્યા કરે છે. ફાટે ત્યારે સાંધી લે છે ! અલ્યા, જોઈ જશે, સાંધી કાઢ.

ન બોલાય ‘હવે વાંધો નથી’

ઘણા લોકોના આચાર સારા હોય છે પણ અંદર બહુ જ ખરાબ હોય છે અને આચાર ભલે આપણા મહાત્માઓના ખરાબ હોય તોય પણ અંદર કેવા ડાહ્યા !

પ્રશ્નકર્તા : આ વાત સિદ્ધાંતની છે પણ કેટલીક વખતે અમારાથી શું થાય છે કે દાદાનું આ વચન છે ને, તે આ એકાંતિક વચન પકડી લેવાય છે કે અમારા આચાર-બાચારનું કંઈ નહીં, એ બધું અંદરનું જુઓ હવે.

દાદાશ્રી : એ પકડી લે છે, બસ. એ પકડી લેવાની જરૂર નથી. તમારે સમજવાની જરૂર છે કે ભય નહીં રાખવો જોઈએ આવું બની જાય તો. પણ પકડી લો તો તમારું કાચું રહી જશે.

પ્રશ્નકર્તા : પકડી લઈએ છીએ ને એના બચાવમાં બેસી જઈએ છીએ.

દાદાશ્રી : નહીં, બચાવમાં ના બેસાય. હંમેશાં એવું છે ને કે જેમ કૂવામાં નથી પડવું એવો નિશ્ચય તમારો દ્રઢ હોય છે ને ! સો-બસો કૂવા હોય અહીં આગળ અને તેમાં રહીને રસ્તે આવવા-જવાનું હોય, તો અંધારામાં કંઈ પડતા નથી. કારણ કે તમારો નિશ્ચય છે કે મારે ગમે તે થાય પણ કૂવામાં નથી પડવું, એટલે એ ના પડાય. પણ તમે જો કૂવાના બચાવમાં જાવ તો પડાય. નિશ્ચય તો જોઈએ ને તમારો, આ તો હું શેના માટે કહું ? તમને પકડી લેવા માટે નહીં, તમને ભયરહિત બનાવવા માટે કહું છું. તમારા આ બાહ્યાચાર આવાં છે, વાંકા છે, તેનો વાંધો રાખશો નહીં. એનો અર્થ તમારે એ પકડી લેવાની જરૂર નહીં, તમારે તો એમ જ રાખવાનું કે આ ન જ થવું જોઈએ, બસ. પછી થઈ ગયું, એને ‘લેટ ગો’ કહીએ છીએ. આપણે શું કહ્યું ? વ્યવસ્થિત કોને કહીએ છીએ કે ભઈ, ઊઘાડી આંખે ગાડી હાંક અને તે સાવધાનીપૂર્વક હાંક અને પછી અથડાઈ તે વ્યવસ્થિત. પછી ગુનો તમારો થઈ જાય તેનો વાંધો નથી, એ વ્યવસ્થિત છે પણ આ સાવધાનીપૂર્વક હોવું જોઈએ.

પ્રશ્નકર્તા : દાદા, એ નિર્ભય બનવા માટે આપ કહો છો પણ સાથે સાથે આ વર્તણૂંક અત્યારની મારી આવી છે, એ જોઈને મને એવો વિચાર ના થવો જોઈએ કે આ મેં કેવો માલ ભર્યો છે ?

દાદાશ્રી : એ તો આવવો જ જોઈએ કે મેં બળ્યો, આવો માલ ભર્યો ! પણ એ થાય બધાને. બધાય થાકે-કંટાળે ને બધાને ગમેય નહીં આ, પણ શું થાય ? કોઈ ઉપાય જ નહીં ને બીજો !

એટલે તમારે ફક્ત એટલું ન બોલવું જોઈએ

(પા.૨૧)

કે હવે મારે કશો વાંધો નહીં. એવું તમારે બેફામ ન બોલવું જોઈએ, એટલું અમે કહેવા માંગીએ છીએ. બાકી અમે જે જ્ઞાન આપેલું છે, એ તો તમને કશું થવાનું નથી એવું જાણીને જ આપેલું છે, જો તમે બેફામ ના બોલો તો !

પ્રશ્નકર્તા : પણ દાદા, આપનું જ્ઞાન આ થયું, બધું થયું, હવે હું એમ કહું કે હવે મને વકીલાત કરવાનો કોઈ વાંધો નથી, તો પછી ?

દાદાશ્રી : ના, એ એવું ન બોલાય. તમે વકીલાત કરો, જેટલો વખત કરવી હોય એટલો વખત, પણ ‘આ વાંધો નથી’ એમ બોલ્યા એ પેલા કાયદાને તોડે છે. જોખમ ના ઊભું કરો. એ તો જોખમ ઊભું કરવું એ બે પાટા વચ્ચે ફીશ પ્લેટ કાઢી નાખવી, એ સરખું છે. એ ગાડી ડીરેલ થઈ જશે. માટે એવું બોલાય નહીં. બોલવાનું શા માટે ? અમે તો એટલા માટે કહ્યું છે ને ‘બેફામપણે બોલશો નહીં, કે મને કંઈ જ નડવાનું નથી.’ હવે એવું બોલશો નહીં. કારણ કે લોકો કો’કને આ દેખાડવા માટે પાવરમાં બોલે છે કે ‘હવે અમને દાદા માથે છે, અમને કંઈ ના થાય.’ તો એ પાવર નડશે, ના બોલાય એવું.

બે બાજુના અભિપ્રાય થયા તો બગડ્યું

પ્રશ્નકર્તા : દાદા, અમને અમારા વિકાસની અંદર કયા કયા ભયસ્થાનો છે, તે પણ આપની પાસેથી પૂછી લઈએ. કારણ કે પછી આપનું કોઈ વાક્ય એવું અમે નોંધારું ઉપાડી લઈએ, એના કરતાં અહીંયાં પૂછી લઈએ તો શું વાંધો છે ?

દાદાશ્રી : નોંધારું વાક્ય ઉપાડવાથી બહુ મુશ્કેલી પડી જાય. મને પૂછો તો વાંધો ના આવે અને હવે ‘મને કશું અડવાનું નથી’ એવું બોલવામાં એ એકલું જોખમ છે. અમે કહ્યું છે ને કે ‘વિષયો વિષ નથી, વિષયોમાં નિડરતા એ વિષ છે.’ એટલે મને કહે છે કે ‘મને હવે કંઈ થાય નહીં, દાદાનો થઈ ગયો છું એટલે.’ નિડરતા થઈ એ જ વિષ છે. બેફામ થઈ ગયો કે થઈ રહ્યું, ખલાસ. એ સ્થાન જ ન્હોય એ તો. નથી તમે આત્મામાં, નથી તમે ફાઈલમાં, આવું બેફામપણું ! ‘મને કંઈ અડે નહીં’ એ ક્યાંથી આવ્યું આ ?

પ્રશ્નકર્તા : બરોબર છે, પેલા આત્મામાંય નથી અને ફાઈલમાંય નથી.

દાદાશ્રી : આમાં બેઉ જગ્યાએ નથી અને આ નવો ક્યાંથી આવ્યો ? એટલે એ જોખમવાળું છે. એટલે અમે કહીએ છીએ ને કે ‘ભઈ, અમે તમને એ ભય કાઢી નાખવા કહીએ છીએ કે વિષયો વિષ નથી, પણ વિષયોમાં નિડરતા એ વિષ છે.’

આમાં આ મારે જોઈતું નથી અગર તો આ ખોટું છે, એટલો જ તમારે અભિપ્રાય રહેવો જોઈએ. આયે સારું છે ને પેલુંય સારું છે, એ બે અભિપ્રાય થયા તો બગડ્યું. દૂધ ને દહીં બે સાથે ન રહી શકે. એટલે ક્રિયાનો અમારે વાંધો નથી, અમારે તો તમારી પ્રતીતિ ના બદલવી જોઈએ.

પ્રશ્નકર્તા : પ્રતીતિ ના બદલાય તો જે વસ્તુ રહે, તે ડિસ્ચાર્જ ફોર્મમાં રહે છે, બરાબર ?

દાદાશ્રી : પ્રતીતિ ના બદલાય એટલે બસ થઈ ગયું. એટલે તમારી જવાબદારી નહીં. પછી જવાબદારી મારી. આયે સારું, તેય સારું, બેય સારું કરે તો જવાબદારી તમારી. આ ના હોવું જોઈએ, છતાં પણ થયા કરે તો એને જવાબદારી નહીં. પણ જ્યાં સુધી ફાઈલ છે ત્યાં સુધી થયા કરશે. એક દહાડો એનો હિસાબ પૂરો થઈ જશે કે છૂટું. એય છૂટું ને આય છૂટું !

દાદા પાસે બેસી સમજી લેવું પડે

પ્રશ્નકર્તા : અમને આ ભવે જ જ્ઞાનથી અવળું વર્તન ‘સ્ટોપ’ (બંધ) થઈ જશે કે નહીં ?

દાદાશ્રી : થઈયે જાય ! ‘જ્ઞાની પુરુષ’ના

(પા.૨૨)

કહ્યા પ્રમાણે કરે તો પાંચ-દસ વર્ષમાં થઈ જાય. અરે, વરસ દહાડામાંય થઈ જાય ! ‘જ્ઞાની પુરુષ’ તો ત્રણ લોકનો નાથ કહેવાય, ત્યાં આગળ શું ના થાય ? કશું બાકી રહે ખરું ?

આ દાદા પાસે બેસીને બધું સમજી લેવું પડે. સત્સંગ માટે ટાઈમ કાઢવો પડે.

‘અમે કેવળજ્ઞાન પ્યાસી,

દાદાને કાજે આ ભવ દેશું અમે જ ગાળી.’

- નવનીત

આમને તૃષા શેની લાગી છે ? ત્યારે એ કહે, ‘કેવળજ્ઞાનની જ તૃષા છે. અમારે હવે બીજી કોઈ તૃષા રહી નથી.’ ત્યારે આપણે એને કહીએ, ‘મહીં રહી છે તૃષા, તેની તપાસ તો ઊંડી કર.’ ત્યારે કહે, ‘એ તો પ્રકૃતિમાં રહી છે, મારી નથી રહી. પ્રકૃતિમાં તો કોઈને ચાર આની રહી હોય, કોઈને આઠ આની રહી હોય, તો કોઈને બાર આની રહી હોય.’ તો ‘બાર આનીવાળાને ભગવાન દંડ કરતા હશે ?’ ત્યારે કહે, ‘ના બા, તારી જેટલી ખોટ તેટલી તું પૂરી કર.’

હવે પ્રકૃતિ છે ત્યાં સુધી એની બધી ખોટો પૂરી થઈ જ જવાની. જો ડખો નહીં કરો, ડખલ નહીં કરો તો પ્રકૃતિ ખોટ પૂરી કરી દેવાની છે. પ્રકૃતિ પોતાની ખોટ પોતે પૂરી કરે છે. હવે આમાં ‘હું કરું છું’ કહે કે ડખો થાય !

‘જ્ઞાન’ ના લીધું હોય તો પ્રકૃતિનું આખો દહાડો અવળું જ ચાલ્યા કરે. અને હવે તો સવળું જ ચાલ્યા કરે. તું સામાને ચોપડી દઉં, પણ મહીં કહે કે ‘ના, આવું ના કરાય. ચોપડી દેવાનો વિચાર આવ્યો, તેનું પ્રતિક્રમણ કરો.’ અને જ્ઞાન પહેલાં તો ચોપડી દઉં ને ઉપરથી કહું કે વધારે આપવા જેવું છે.

એટલે અત્યારે જે મહીં ચાલ્યા કરે છે તે સમકિતબળ છે, જબરજસ્ત સમકિતબળ છે ! તે રાત-દા’ડો નિરંતર કામ કર્યા જ કરે !

પ્રશ્નકર્તા : એ બધું પ્રજ્ઞા કામ કરે છે ?

દાદાશ્રી : હા, એ પ્રજ્ઞા કામ કરી રહી છે. પ્રજ્ઞા ઘસડી ઘસડીને પણ મોક્ષમાં લઈ જાય.

પ્રશ્નકર્તા : પણ દાદા, પ્રકૃતિનો ફોર્સ ઘણીવાર બહુ આવે છે ?

દાદાશ્રી : એ તો જેટલી ભારે પ્રકૃતિ હોય એટલો ફોર્સ વધારે હોય.

પ્રશ્નકર્તા : પણ તે વખતે ‘જ્ઞાન’ પણ એટલું જ જોરદાર ચાલે છે.

દાદાશ્રી : હા, ‘જ્ઞાને’ય જોરદાર ચાલે. આ ‘અક્રમ વિજ્ઞાન’ છે, એટલે મારંમાર, લડી કરીને પણ ઠેકાણે લાવી દે !

સમજની શ્રેણીઓ

પ્રશ્નકર્તા : સામો દોષિત ના દેખાય તે માટે ‘પ્રકૃતિ કરે છે’ એ સમજથી કામ લઉં છું.

દાદાશ્રી : એ ‘ફર્સ્ટ સ્ટેજ’ની વાત છે, પણ છેલ્લી વાતમાં આ કશું જ બનતું નથી. આત્મા આનો જાણકાર જ છે, બીજું કશું જ નથી. તેને બદલે માની બેઠો છે કે સામાએ જ કર્યું ! ‘રોંગ બિલીફ’ જ છે ખાલી.

પ્રશ્નકર્તા : એકના એક છોકરાને મારી નાખ્યો...

દાદાશ્રી : તે મરતો જ નથી. જે મૂળ સ્વભાવ છે, જે ‘મૂળ વસ્તુ’ છે, તે મરતો જ નથી. આ તો જે નાશવંત ચીજો છે, તેનો નાશ થયા જ કરે છે.

જગત નિર્દોષ જ દેખાય. જેને ઓછી સમજણ હોય તે હિસાબ ગોઠવીને કહે, ‘હિસાબ હશે.’ નહીં તો ‘મારો છોકરો છે’ એવું હોય જ

(પા.૨૩)

નહીં ને ! ભગવાનની ભાષા સમજાઈ, તેને તો બધું જગત નિર્દોષ જ દેખાય ને ! કોઈ ફૂલ ચઢાવે તોય નિર્દોષ દેખાય ને પથ્થર મારે તોય નિર્દોષ દેખાય ! એકે મારી નાખ્યો ને એકે બચાવ્યો. પણ બન્ને નિર્દોષ દેખાય, વિશેષતા ના દેખાય આમાં.

તમને અમારા જ્ઞાનની સમજથી સમજવું હોય તો ‘વ્યવસ્થિત’ છે, ‘હિસાબ છે’, એવું તમારે સમજવું પડે. એથી આગળ જશો એટલે ‘મૂળ વસ્તુ’ સમજાશે. ‘બચાવનારો કોઈ બચાવી શકતો નથી, મારનાર મારી શકતો નથી. બધું કુદરતનું કામ છે આ.’ ‘વ્યવસ્થિત’ ખરું, પણ ‘વ્યવસ્થિત’ પરના અવલંબન તરીકે પણ આ કોણ કરી રહ્યું છે ? એ આખા ભાગને પોતે જાણે, કે બધી કુદરતની જ ક્રિયા છે. કુદરત જીવમાત્રનું હિત જ કરી રહી છે, પણ એને ‘ડિસ્ટર્બ’ આ કાળ કરે છે.

પ્રશ્નકર્તા : કાળ ‘ડિસ્ટર્બ’ કરે છે, એ ના સમજાયું.

દાદાશ્રી : આ કાળ ‘ડિસ્ટર્બ’ ના કરતો હોત ને, તો આ જગત બહુ સુંદર લાગે. આવો કાળ આવે ત્યારે નીચે અધોગતિમાં લઈ જાય. બાકી કુદરતનું અધોગતિમાં લઈ જવાનું કામ નથી. કુદરતનો સ્વભાવ તો નિરંતર ઊર્ધ્વગતિમાં જ લઈ જવાનો છે.

એક કાળ એવો હતો કે શેઠિયાઓ નોકરોને પજવતા હતા અને હવે નોકરો શેઠિયાઓને પજવે છે એવો કાળ આવ્યો છે ! કાળની વિચિત્રતા છે ! નોર્માલિટીમાં હોય તો બહુ સુંદર કહેવાય. શેઠ નોકરને પજવે જ નહીં ને નોકર આવું તોડફોડ કરે નહીં.

આ તો પોતે ખાલી માની બેઠો છે ! બાપ થયો તેય માની બેઠો છે કે હું બાપ થાઉં ! પણ છોકરાને બે કલાક ખૂબ ગાળો ભાંડ ભાંડ કર તો ખબર પડે કે બાપ કેટલા દહાડાનો છે ! ઠંડો જ થઈ જાય ને ! ખરેખર બાપ હોય તો તો જુદા જ પડે નહીં.

વાત ગેડમાં બેસતા કામ થાય

હું જે કહેવા માંગું છું એની ગેડ બેસવી, એટલે હું શું કહેવા માગું છું એ ‘ફુલ્લી’ સમજમાં આવી જાય અને ‘ટુ ધી પોઈન્ટ’ પહોંચી જાય, એને હું ગેડ પડી કહું છું. લોકો નથી કહેતા કે ‘હજી ગેડ નથી બેસતી ?’

એટલે ‘હું’ સમજાવવા માગું છું, તે જ ‘વસ્તુ’ એને તે જ સ્વરૂપે સમજાય, એનું નામ ગેડ બેઠી કહેવાય. હવે મારો ‘વ્યૂ પોઈન્ટ’ જુદો, એનો ‘વ્યૂ પોઈન્ટ’ જુદો, એટલે ગેડ બેસતાં વાર લાગે. પણ ગેડ બેસવી જોઈએ, તો કામ થાય !

હું જે કહેવા માગું છું તે તમને પોઈન્ટ-ટુ-પોઈન્ટ ‘એક્ઝેક્ટલી’ સમજાઈ જાય, એનું નામ ગેડ બેઠી કહેવાય. દરેકનો વ્યૂ પોઈન્ટ જુદો જુદો હોય એટલે જુદી જુદી રીતે સમજાય. દરેકની દર્શનશક્તિના આધારે વાત ‘ફીટ’ થાય.

સાયન્સને સમજીએ ઝીણવટથી

સોનાની વ્યાખ્યા આપણે ના સમજીએ અને પછી પિત્તળને સોનું કહીએ, તો તો પછી આપણે એની કિંમત જ ના સમજ્યા કહેવાય ને ? પિત્તળેય બફીંગ કરે તો સોના જેવું દેખાય, પણ સોનાની વ્યાખ્યા ગુણ સહિત જાણવી જોઈએ. એવી રીતે ક્રોધ શું છે ? લોભ શું છે ? આકર્ષણ શું છે ? વિકર્ષણ શું છે ? એ પુદ્ગલ પરમાણુના ગુણો છે. આ બધું સાયન્સ છે. સાયન્સ એટલે એક્ઝેક્ટલી સમજી લેવું જોઈએ. વાત ઝીણવટથી સમજી લેવાની જરૂર છે. કશું કરવાની જરૂર નથી.

આત્મા અમે આપી દીધો એ નિર્લેપ ભાવે

(પા.૨૪)

આપેલો છે, અસંગ જ આપેલો છે. હવે ફક્ત સમજવાની જરૂર છે.

આ જ્ઞાન કલાકમાં આપેલું છે અને કલાકમાં જ્ઞાન આપેલું, તે કેવડું મોટું જ્ઞાન, એક કરોડ વર્ષે જે જ્ઞાન ના થાય, એ એક કલાકમાં જ્ઞાન થાય છે. પણ બેઝિક (પ્રાથમિક તબક્કાનું) થાય છે. પછી ઝીણવટથી વિગતવાર સમજી લેવું પડે ને ? એ વિગતવારથી તમે મારી પાસે બેસો ને પૂછ પૂછ કરો ત્યારે હું સમજાઉ. એટલે અમે કહીએ છીએ ને, સત્સંગની બહુ જરૂર છે. તમે જેમ જેમ અહીં આગળ આંકડા પૂછતા જાવ ને, તેમ મહીં આંકડા ખુલતા જાય અને જ્ઞાન અવિરોધાભાસ છે.

જ્ઞાન અપાય એવી ચીજ નથી. જ્ઞાન તો સમજ આપીએ તેમાંથી ઉત્પન્ન થાય. જ્ઞાન ઉત્પન્ન થયું એ ક્યારે સમજ પડે ? ‘આ ખોટું છે’ એ જ્ઞાન ક્યારે કહેવાય ? એની મેળે એ છૂટી જાય ત્યારે. છૂટી જવું ને જ્ઞાન બેઉ સાથે બને છે. ત્યાં સુધી સમજમાં તો છે કે આ ન હોવું ઘટે; ન હોવું ઘટે એટલે આપણું આ ‘કેવળદર્શન’ એટલે કે કેવળ સમજનું વિજ્ઞાન છે. પછી કેવળજ્ઞાનમાં આવે છે.

સમજ એ કેવળજ્ઞાનની બિગિનીંગ

કેવળ આત્માની જ જેને શ્રદ્ધા છે એ ‘કેવળદર્શન’ છે ! શ્રદ્ધાપણે ‘કેવળજ્ઞાન’ એટલે ‘કેવળદર્શન’ ! શ્રદ્ધાપણે ‘કેવળજ્ઞાન’ થયું હોય તો દેહ સાથે મુક્તિ થાય ને જ્ઞાનપણે ‘કેવળજ્ઞાન’ થાય તો મોક્ષ થાય !

આ જગત જેમ છે તેમ સમજમાં આવી જવું એનું નામ કેવળદર્શન. જાણમાં ના આવવું એટલે કેવળદર્શન અને જાણમાં આવી જાય એ કેવળજ્ઞાન કહેવાય. પહેલું સમજમાં આવી જાય.

‘પૂર્ણ સમજ’ એ ‘કેવળદર્શન’ કહેવાય અને વર્તનમાં આવે એ ‘કેવળજ્ઞાન’ કહેવાય છે. એ પૂર્ણ જ્ઞાન, ‘કેવળજ્ઞાન’ પૂર્ણાહુતિ છે અને ‘કેવળદર્શન’ શરૂઆત છે. ‘સમજ’ એ ‘કેવળજ્ઞાન’ની ‘બિગિનિંગ’ (શરૂઆત) છે.

પ્રશ્નકર્તા : પૂર્ણ સમજ એટલે શું ?

દાદાશ્રી : ક્ષાયક દર્શન. આપણે અહીં ક્ષાયક દર્શન આપીએ છીએ. સંપૂર્ણ પ્રતીતિ, સંપૂર્ણ સમજ.

કેવળદર્શન એટલે ક્ષાયક સમકિત. એ થયા પછી કેવળજ્ઞાન થાય. કેવળદર્શનથી જ્ઞાન દેખાય. જ્ઞાન દેખાય એટલે શું કે કંઈક આગળ જોયું આપણે, ‘કંઈક છે’ એવું કેવળદર્શન અને ‘આ છે’ એ કેવળજ્ઞાન.

શ્રદ્ધાથી શરૂ, વર્તનથી પૂર્ણ

એટલે આ આપણું જ્ઞાન શુદ્ધ જ્ઞાન છે. સમજણેય શુદ્ધ છે. પહેલું શ્રદ્ધામાં આવ્યું, હવે ધીમે ધીમે સમજણમાં આવશે, જ્ઞાનમાં આવશે. પોતે શુદ્ધાત્મા જ છે ને !

જે જાણ્યું એ પાછું આપણી શ્રદ્ધામાં પૂરેપૂરું આવે, ત્યાર પછી વર્તનમાં આવે. એટલે પૂરેપૂરું શ્રદ્ધામાં હજુ આવ્યું નથી. જેમ જેમ શ્રદ્ધામાં આવતું જશે એમ વર્તનમાં આવતું જશે. તે બધો પ્રયોગ ધીમે ધીમે થાય. એવું ઓચિંતું ના બની શકે કંઈ ! પણ જાણે ત્યાર પછી એ પ્રયોગમાં આવે ને !

પ્રશ્નકર્તા : આ જાણ્યું તો ઘણા વખતથી છે જ ને ?

દાદાશ્રી : ના, પણ એ જાણ્યું ના કહેવાય. જાણ્યું એનું નામ કહેવાય કે પ્રવર્તનમાં આવે જ. એટલે પૂરેપૂરું જાણ્યું નથી. આ તો સ્થૂળ જાણ્યું. જાણ્યાનું ફળ શું ? તરત જ પ્રવર્તનમાં આવે. એટલે આ સ્થૂળ જાણ્યું છે, હજુ તો એનું સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ થશે ત્યારે પ્રવર્તનમાં આવશે.

જય સચ્ચિદાનંદ