‘ખોટ’ વખતે સમાધાની સમજણ

સંપાદકીય

મનુષ્યના જીવનમાં સંયોગોનો પ્રવાહ એકધારો વહેતો નથી. જીવનમાં શારિરીક, સામાજિક તેમજ આર્થિક સંજોગો બદલાયા જ કરતા હોય છે. આર્થિક સંજોગો સારા હોય ત્યારે માણસ ખુશ થાય અને સંજોગો ફરે ત્યારે દુઃખી થઈ જાય છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) કહે છે કે જેમ દિવસ પછી રાત આવે અને રાત પછી પાછો દિવસ આવે, એમ સંજોગો તો ફેરફાર થયા જ કરે. પણ ઘણીવાર માણસ પોતાના લોભને લીધે જ દુઃખી થતો હોય છે. આવા સમયે તો આવતી કાલે ખાવાના પૈસા છે કે નહીં તે જોઈ લેવાનું, એથી વધારે જોવાનું ના હોય. અને પૈસાથી નાદાર થયા હોય તોય વાઈફ, કુટુંબીજનો છે અને હાથ, પગ, આંખો વગેરે મિલકત તો ખરી જ ને ! માટે આવી સમજણ ગોઠવીને સંતોષ રાખવો.

આપણી પાસે શું બચ્યું તે જુઓ, જે ગયું તેને ના જોશો. સમજુ માણસ તો શું બચ્યું છે તે જોઈ આનંદમાં જ રહે. પણ લોકો નફાનો આનંદ તો લેતા નથી ને ખોટને જ રડ્યા કરે છે. એટલે પૈસા હોય તોય દુઃખ, ના હોય તોય દુઃખ. બધાય દુઃખી, એનું કારણ તો માત્ર અણસમજણ જ છે. ખરેખર જોવા જઈએ તો લોકોને ખાધે-પીધે ખોટ નથી હોતી, પણ સમજણની જ ખોટ હોય છે.

લોકો તો ડૉક્ટર થઈને શેરબજારમાં પૈસા રોકે, પછી ખોટ જાય તો વધારે પૈસા રોકી શેરબજારમાંથી જ કમાવવામાં પડે અને વધારે ખોટ નોતરે. ખરેખર ડૉક્ટરની કમાણી ડૉક્ટરની લાઈનમાં જ થશે. માટે ડૉક્ટરે શેરબજાર બંધ કરી ડૉક્ટરની લાઈનમાં જ આગળ વધવું જોઈએ, બીજા ધંધામાં ના પડાય.

નફો-ખોટ પુણ્ય-પાપને આધીન છે. પુણ્યનો ઉદય હોય ત્યારે નફો આવે ને પાપનો ઉદય હોય ત્યારે ખોટ આવે. એટલે નફો-ખોટ બેઉ લમણે લખેલા છે. માટે નથી વિચાર કરતા તોય ખોટ આવે છે, તેમ નફો પણ વગર વિચારે આવશે. પણ લોકો પૂરણ-ગલનમાં આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરી અવતાર બગાડી રહ્યા છે. પણ લક્ષ્મી તો જેટલી આવવાની છે તેટલી જ આવશે. માટે બહારની મૂડી કરતા અંદરની મૂડી સાચવવા જેવી છે.

દાદાશ્રીને પણ કોન્ટ્રાક્ટનો ધંધો હતો. એટલે નફો-ખોટ તો આવ્યા જ કરે ને ! પણ તે પોતે આવા સંજોગોમાં કઈ કઈ સમજણ ગોઠવીને ચિંતા-ઉપાધિ રહિત જીવ્યા તે તેમણે ખુલ્લું કર્યું છે. એમણે એમના જ અનુભવની વાતો કરી છે, જે આપણા જીવનમાં પણ ઉપયોગી નીવડે તેમ છે.

પ્રસ્તુત અંકમાં આર્થિક સમસ્યાઓ આવે ત્યારે કઈ સમજણ ગોઠવી શકાય તેની દાદાશ્રી દ્વારા આપેલ સુંદર ચાવીઓનું સંકલન થયું છે. જે આપણને ચિંતા-ઉપાધિ રહિત બનાવીને મોક્ષમાર્ગે પ્રગતિ કરાવે એ જ દિલથી અભ્યર્થના.

~ જય સચ્ચિદાનંદ.

‘ખોટ’ વખતે સમાધાની સમજણ

(પા.૬)

ખાલી માન્યતાનું જ દુઃખ

પ્રશ્નકર્તા : દાદા, હાલમાં અમારા આર્થિક સંજોગો ફરી ગયા છે, તો હવે શું કરીશું એવું થયા કરે છે. આપ કંઈ ઉપાય બતાવશો ?

દાદાશ્રી : એ તો ફેરફાર થયા કરે. આ દહાડા પછી રાત આવે છે ને ? આ તો આજે નોકરી ના હોય પણ કાલે નવી મળે. એ તો બન્ને ફેરફાર થઈ જાય. કેટલીક વખત આર્થિક હોતું જ નથી, પણ એને લોભ લાગ્યો હોય છે. આવતી કાલે શાકના પૈસા છે કે નહીં, એટલું જ જોઈ લેવાનું. એથી વધારે જોવાનું ના હોય. બોલો, હવે એવું તમને દુઃખ છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તે પછી એ દુઃખ કહેવાય જ કેમ? આ તો વગર દુઃખે દુઃખ ગા ગા કરે છે. તે પછી એનાથી હાર્ટ એટેક આવે, અજંપો રહે ને પોતે દુઃખ માને. જેનો ઉપાય નથી, એને દુઃખ જ ના કહેવાય. જેના ઉપાય હોય એના તો ઉપાય કરવા જોઈએ, પણ ઉપાય જ ના હોય તો એ દુઃખ જ નથી.

ગયું તેને ના જોશો, શું છે તે જુઓ

માણસને શું દુઃખ હોય છે ? એક જણ મને કહે કે ‘મારે બેન્કમાં કંઈ નથી. સાવ ખાલી થઈ ગયો, નાદાર થઈ ગયો.’ મેં પૂછયું, ‘દેવું કેટલું હતું ?’ તે કહે, ‘દેવું ન હતું.’ તે નાદાર ના કહેવાય. બેન્કમાં હજાર-બે હજાર રૂપિયા પડ્યા છે. પછી મેં કહ્યું, ‘વાઈફ તો છે ને ?’ તે કહે કે વાઈફ કંઈ વેચાય ?’ મેં કહ્યું, ‘ના, પણ તારી બે આંખો છે, તે તારે બે લાખમાં વેચવી છે ? આ આંખો, આ હાથ, પગ, મગજ એ બધી મિલકતની તું કિંમત તો ગણ. બેન્કમાં પૈસોય ના હોય તોય તું કરોડાધિપતિ છે ! તારી કેટલી બધી મિલકત છે, તે વેચ જો, હેંડ. આ બે હાથેય તું ના વેચું. પાર વગરની તારી મિલકત છે. આ બધી મિલકત સમજીને તારે સંતોષ રાખવાનો. પૈસા આવ્યા કે ના આવ્યા પણ ટંકે ખાવાનું મળવું જોઈએ.

ફૂલીશ (મૂર્ખ) તે ખોટને જુએ અને ડાહ્યો માણસ તો શું બચ્યું તે જુએ. તમારી પાસે શું છે તે જુઓ, જે ગયું તેને ના જોશો.

સમજણની ખોટ

લોકોને ખાધે-પીધે ખોટ નથી પણ સમજણની ખોટ છે.

એક મિલવાળા શેઠને કહ્યું, ‘કેમ ચાલે છે, તમારા ધંધા-રોજગાર ?’ ત્યારે તેમણે કહ્યું, ‘બધું ડીરેલમેન્ટ થઈ (ગુંચાઈ) ગયું.’ મેં કહ્યું, ‘બહુ સારું થઈ ગયું. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ !’ મેં એમને પૂછ્યું, ‘શાથી એવું થઈ ગયું ?’ ત્યારે કહે, ‘રૂપિયા થોડા-ઘણા મિલમાંથી કમાયો, તે બેંકમાં ભરવા ગયો, તે બેંકવાળાએ પછી પાછા આપ્યા જ નહીં ! હવે આપતા જ નથી ! પહેલા બેંકમાંથી લોન લાવેલો, તે બેંકવાળા પાછા આપતા જ નથી. તેથી મારું ટાઢું પડી ગયું છે. હવે મને કંઈ વિધિ કરી આપો.’ મેં કહ્યું, ‘કરી આપું! કરી આપું !’ એટલે મને લાગ્યું કે આ બિચારાં બહુ દુઃખી છે. આ માણસને બેંક આપે નહીં, ભલેને મિલ એમને હોય, પણ મિલને કરે શું તે ? મિલને ઓઢે કે પાથરે ? એટલે પછી એમને ઘેર મને ને બધાને બોલાવ્યા. કહે છે, ‘પધરામણી કરો મારે ઘેર, પગલાં પડે તો મારું કંઈક કામ થાય.’ તે મેં કહ્યું, ‘આવીશું.’ તે અમે એને ઘેર ગયા. ચા-પાણી નાસ્તો લીધો એનો. પછી એક પાકીટમાં રૂપિયા આપવા માંડ્યા. ત્યારે મેં કહ્યું, ‘તમારા રૂપિયા ના લેવાય. આવી તમારી સ્થિતિમાં અમારે રૂપિયા શું કરવા છે ?’ હજાર જ રૂપિયા હતા, વધારે ન

(પા.૭)

હતા. ત્યારે એ કહે, ‘ના, દાદાજી, એ તો લેવા જ પડે. તમે જેટલું કહો છો એવું નથી. એ તો બીજું કારખાનું છે ને, એમાંથી બાર મહિને પાંચ લાખ રૂપિયા આવે છે.’ મેં કહ્યું, ‘અલ્યા ! તમારી જોડે હું ક્યાં બેઠો આ ? ‘હું મારા મનમાં સમજું કે આ હપુચી બધી સ્ત્રીઓથી રાંડ્યો અને તું તો કહું કે અહીં બીજી છે ! ‘બીજા પાંચ લાખ આવે છે’ કહે છે. હવે આમને ક્યાં પહોંચી વળાય ?

બધાય દુઃખી, એનું શું કારણ ?

અનંત અવતારથી નફા કર્યાનો આનંદ નથી આવતો અને માત્ર ખોટને જ રડ રડ કરે છે. ખોટને જ રડ્યા કરી છે.

એટલે પૈસા હોય તોય દુઃખ, પૈસા ના હોય તોય દુઃખ, મોટા પ્રધાન થયા તોય દુઃખ, ગરીબ હોય તોય દુઃખ, ભિખારી હોય તોય દુઃખ, રાંડેલીને દુઃખ, માંડેલીને દુઃખ, સાત ભાયડાવાળીને દુઃખ ! દુઃખ, દુઃખ ને દુઃખ ! અમદાવાદના શેઠિયાઓનેય દુઃખ ! એનું શું કારણ હશે ?

પ્રશ્નકર્તા : એમને સંતોષ નથી.

દાદાશ્રી : આમાં સુખ હતું જ ક્યાં તે ? સુખ હતું જ નહીં આમાં. આ તો ભ્રાંતિથી લાગે છે. જેમ દારૂ પીધેલો માણસ હોય, એનો એક હાથ ગટરમાં પડ્યો હોય તોય કહે, ‘હા, મહીં ઠંડક લાગે છે. બહુ સરસ છે.’ તે દારૂને લીધે એવું લાગે છે. બાકી આમાં સુખ હોય જ ક્યાં આગળ ? આ તો નર્યો એંઠવાડ છે બધો !

આ સંસારમાં સુખ છે જ નહીં. સુખ હોય જ નહીં ને સુખ હોય તો તો મુંબઈ આવું ના હોય. (સાચું) સુખ છે જ નહીં. આ તો ભ્રાંતિનું સુખ છે અને તે ટેમ્પરરી (હંગામી) એડજસ્ટમેન્ટ છે ખાલી.

નફામાં જેટલો આનંદ તેટલું ખોટમાં દુઃખ

નાણાંનો બોજો રાખવા જેવું નથી. બેન્કમાં જમા થાય એટલે હાશ કરે ને જાય એટલે દુઃખ થાય. આ જગતમાં કશું જ હાશ કરવા જેવું નથી, કારણ કે ટેમ્પરરી છે.

સંસારનું સરવૈયું શું ? નફો છે કે ખોટ છે ? બાર રૂમોવાળાનેય ખોટ છે ને બે રૂમોવાળાનેય ખોટ છે. ખોટ રૂમમાં નથી, તારામાં જ છે. તેને તું ખોળી કાઢ ને !

જેને નફામાં આનંદ નહીં, તેને ખોટમાં દુઃખ નહીં. નફામાં જેટલો આનંદ તેટલું જ ખોટમાં દુઃખ. આ બુદ્ધિ જ નફો-ખોટ દેખાડે છે.

જે બજારમાં ઘા પડ્યો ત્યાં જ તે રૂઝાય

પ્રશ્નકર્તા : ધંધામાં બહુ ખોટ ગઈ છે, તો શું કરું ? ધંધો બંધ કરી દઉં કે બીજો કરું ? દેવું ખૂબ થઈ ગયું છે.

દાદાશ્રી :રૂ બજારની ખોટ કંઈ કરિયાણાની દુકાન કાઢ્યે ના પૂરી થાય. ધંધામાં ગયેલી ખોટ ધંધામાંથી જ પૂરી થાય, નોકરીમાંથી ન વળે. ‘કોન્ટ્રાક્ટ’ની ખોટ કંઈ પાનની દુકાનથી વળે ? જે બજારમાં ઘા પડ્યો હોય, તે બજારમાં જ ઘા રૂઝાય, ત્યાં જ એની દવા હોય.

આ હિસાબ મેં નાની ઉંમરમાં કાઢેલો કે અમુક બજારની ખોટ ગયેલી હોય, તે અમુક બજારથી વાળવા જઈએ તો શું થાય ? એ ખોટ ના નીકળે. કેટલાક માણસો એટલા હલકા વિચારના હોય છે. ખોટ કોન્ટ્રાક્ટના ધંધામાં ગયેલી હોય અને પાનની દુકાનમાંથી ખોટ કાઢવા જાય. અલ્યા, ખોટ એમ ના નીકળે. કોન્ટ્રાક્ટના ધંધાની ખોટ કોન્ટ્રાક્ટથી નીકળે. પણ એ પાનની દુકાન કરે, પણ એનાથી કશું વધે નહીં, ઉલટો લોક તારો ગલ્લોય લઈ જશે ને તારું તેલ કાઢી નાખશે. એના કરતાં પૈસા ના હોય તોયે ત્યાં જઈને ઊભા રહેવાનું. તે દહાડે જરા સારું પેન્ટ પહેરીને જવાનું. કોઈની દોસ્તી થઈ તો કામ પાછું ચાલુ થઈ જાય અને એને દોસ્ત-બોસ્ત બધું મળી આવે.

(પા.૮)

મહીં અનંત શક્તિ છે. એ શક્તિવાળા શું કહે છે, કે ‘હે ચંદુભાઈ ! તમારો શું વિચાર છે?’ ત્યારે મહીં બુદ્ધિ બોલે કે ‘આ ધંધામાં આટલી ખોટ ગઈ છે. હવે શું થાય ? હવે નોકરી કરીને ખોટ વાળો ને !’ મહીં અનંત શક્તિવાળા શું કહે છે કે ‘અમને પૂછો ને ! બુદ્ધિની શું કરવા સલાહ લો છો ? અમારી પાસે અનંત શક્તિ છે !’ જે શક્તિ ખોટ ખવડાવે છે, એ શક્તિ પાસે જ નફો ખોળો ને! ખોટ ખવડાવે છે બીજી શક્તિ અને નફો ખોળો છો બીજા પાસે, એ શી રીતે ભાગાકાર થશે ?

તમારો ‘ભાવ’ ના ફર્યો તો આ જગતમાં કોઈ શક્તિ નથી કે તમારી ઇચ્છા પ્રમાણે ના ફરે. એવી અનંત શક્તિ આપણી મહીં છે. પણ કોઈને દુઃખ ના થાય, કોઈની હિંસા ના થાય, એવા આપણા લૉ (કાયદા) હોવા જોઈએ. આપણા ‘ભાવ’નો લૉ એટલો બધો કઠણ હોવો જોઈએ કે દેહ જશે પણ આપણો ભાવ ન તૂટે. દેહ જાય તો એક ફેરો જશે, એટલે એમાં કંઈ ડરવાની જરૂર ના હોય. એવું ડરે તો તો આ લોકોની દશા જ બેસી જાય ને ! કોઈ સોદો જ ના કરે ને! અમે તો એવા મોટા મોટા માણસ જોયા છે કે એ પાછા દલાલ હોય, એ ચાલીસ લાખ રૂપિયાની ઉઘરાણીની વાતો કરે અને પાછા કહે છે શું કે ‘દાદા, ઘણાંખરાં લોકો અવળું જ બોલે છે, તે શું થશે ?’ ત્યારે મેં કહ્યું કે ‘જરા ધીરજ પકડવી પડે. પાયો સ્ટ્રોંગ (મજબૂત) રાખવો પડે.’

આ ગાડીઓ આટલી બધી સ્પીડમાં ચાલે છે, તે આમાં જીવતા નીકળે છે તો ધંધામાં સેફ નહીં નીકળાય? બહાર તો જરા વારમાં બીક લાગે, જરા જરામાં અથડાઈ જશે એવું લાગે પણ કંઈ અથડાતું જોવામાં આવતું નથી. બધા કંઈ અથડાઈ જાય છે ? એ લોકો નીકળી જાય છે, તો આ નહીં નીકળી જાય ? એ રસ્તા પર જો ભય પેઠો ને, તો પછી તમે સાંતાક્રૂઝથી અહીં દાદર શી રીતે આવો ? અને આવો છો તો તમે મૂર્છિત હો તો જ ભય ના લાગે. માટે મહીં જરા સ્ટ્રોંગ રાખો ને ! એટલે જે જગ્યાએ ઘા પડે ને, તે જગ્યાએ રૂઝાઈ જાય. માટે જગ્યાફેર ના કરીએ. એટલે જ્યાંથી ખોટ આવી ત્યાંથી વાળવી.

આંધળો વણે અને વાછડો ચાવે

એવું છે ને, નાનપણથી લોકો પૈસા કમાય કમાય કરે છે, પણ બેન્કમાં જોવા જાય તો કહે, ‘બે હજાર જ પડ્યા છે !’ અને આખો દહાડો હાયવોય, હાયવોય, આખો દહાડો કકળાટ, ક્લેશ ને કંકાસ. હવે અનંત શક્તિ છે. તમે મહીં વિચાર કરો તેવું બહાર થઈ જાય એટલી બધી શક્તિ છે, પણ આ તો વિચાર તો શું, પણ મહેનત કરીને કરવા જાય તોય બહાર થતું નથી. ત્યારે બોલો, મનુષ્યોએ કેટલી બધી નાદારી ખેંચી છે !

આંધળો વણે અને વાછડો ચાવે એનું નામ સંસાર. આંધળો આમ દોરડું વણ્યા કરતો હોય, આગળ આગળ વણ્યા કરતો હોય, અને પાછળ દોરડું પડ્યું હોય તે પેલો વાછડો ચાવ્યા કરે. તેમ અજ્ઞાનીની ક્રિયા બધી નકામી જાય છે. પાછો મરીને આવતો ભવ બગાડે, તે મનુષ્યપણું પણ ના મળે ! આંધળો જાણે કે ઓહો, પચાસ ફૂટ દોરડું થયું છે ને લેવા જાય ત્યારે કહે, ‘આ શું થઈ ગયું?’ ‘અલ્યા, પેલો વાછડો બધું ચાવી ગયો !’

આખા જગતની મહેનત ઘાણી કાઢી કાઢીને નકામી જાય છે. પેલો બળદને ખોળ આપે, ત્યારે અહીં બીબી હાંડવાનું ઢેફું આપે એટલે ચાલ્યું, આખો દહાડો બળદની પેઠે ઘાણી કાઢ કાઢ કરે છે !

અગિયાર વરસે થાય નાશ

આ પૈસાનું કામ એવું છે કે અગિયારમે વરસે પૈસો નાશ થાય હંમેશાં. દસ વર્ષ સુધી ચાલે. તે આ સાચા પૈસાની વાત. ખોટા પૈસાની તો વાત જુદી ! સાચા પૈસા તે અગિયારમે વરસે ખલાસ થાય !

(પા.૯)

પ્રશ્નકર્તા : એટલે જતા રહે, દાદા ?

દાદાશ્રી : એ સ્વભાવ જ છે, ચંચળ સ્વભાવ. ત્યારે લોક શું કહે છે ? ના, અમે કાઢી નાખતા નથી ! અત્યારે કહે, પંચ્યાશીની સાલ થઈ, તે અગિયાર વર્ષ પહેલા કઈ સાલ હતી ?

પ્રશ્નકર્તા : ચુમ્મોતેર.

દાદાશ્રી : તે ચુમ્મોતેર પહેલાનું નાણું આપણી પાસે કશું ના હોય ! આ ચુમ્મોતેર પછી જે નાણું કમાયા એટલું દસ વર્ષ જો આપણે ના કમાઈએ તો ખલાસ !

હવે આ લોક કહે, ‘મારા તો અઢાર વર્ષથી પૈસા બેન્કમાં જ છે. એ ટક્યા છે જ ને?’ ત્યારે અમે કહીએ, ‘ના, અત્યારે ’૮૫ની સાલમાં તમારી પાસે લક્ષ્મી કઈ હોય ? ૧૯૭૫ સુધીની જ હોય. એ તમે હિસાબ કાઢશો તો જડશે. ૭૫ પહેલાની તો ગમે ત્યાં વપરાઈ જ ગયેલી હોય. આ પંચોતેર પછીની દસ વર્ષથી જે હોય તે. હિસાબ કાઢે તો ખબર પડે કે ના પડે? હવે જ્યારે ૮૬ થશે ત્યારે છોંતેર પછીની લક્ષ્મી. એક દસકો જ જો માણસને ખરાબ આવ્યો તો ખલાસ થઈ જાય, ઊડી જાય ! હવે વધુ કલ્પવાની જરૂર નહીં. બધું ‘વ્યવસ્થિત’ છે. નિરાંતે આરામથી સૂઈ જવું. આ તો ચિંતાવાળાને આ બધી ભાંજગડો ! એમને બધી ભાંજગડો જોઈએ આ બધી ! નહીં તો આખી રાત ઊંઘવાનું કેમ ફાવે ? એટલે થોડું થોડું જોઈએ.

પૈસાની પણ એક્સપાયરી ડેટ

રૂપિયાનો નિયમ કેવો છે કે અમુક દિવસ ટકે ને પછી જાય, જાય ને જાય જ. એ રૂપિયો ફરે ખરો, પછી એ નફો લઈ આવે, ખોટ લઈ આવે કે વ્યાજ લઈ આવે, પણ ફરે ખરો. એ બેસી ના રહે, એ સ્વભાવનો જ ચંચળ છે. એટલે આ ઉપર ચઢેલો તે પછી ઉપર એને ફસામણ લાગે. ઊતરતી વખતે ઉતરાય નહીં, ચઢતી વખતે તો હોંશે હોંશે ચઢી જવાય. ચઢતી વખતે તો હોંશમાં આમ ઝાલી ઝાલીને ચઢે, પણ ઊતરતી વખતે તો પેલી બિલાડી મોઢું માટલીમાં ઘાલે, જોર કરીને ઘાલે ને પછી કાઢતી વખતે કેવું થાય ? તેવું થાય.

આ અનાજ છે તે ત્રણ-પાંચ વર્ષમાં નિર્જીવ થઈ જાય, પછી ઊગે નહીં.

અગિયાર વરસે પૈસા બદલાય. પચીસ કરોડનો આસામી હોય પણ અગિયાર વરસ જો એની પાસે એક આનોય આવ્યો ના હોય તો એ ખલાસ થઈ જાય. જેમ આ દવાઓની ‘એક્સપાયરી ડેટ’ (સમાપ્તિ) લખો છો તેમ આ લક્ષ્મીની અગિયાર વર્ષની ‘એક્સપાયરી ડેટ’ હોય છે.

પ્રશ્નકર્તા : આખી જિંદગી લોકોને લક્ષ્મી રહે છે ને ?

દાદાશ્રી : આજે ’૭૭ની સાલ થઈ તો આજે આપણી પાસે ’66 પહેલાની લક્ષ્મી ના હોય.

પ્રશ્નકર્તા : અગિયાર વર્ષનો જ નિયમ !

દાદાશ્રી : આ જેમ દવાઓમાં બે વર્ષની ‘એક્સપાયરી ડેટ’ હોય, છ મહિનાની હોય, અનાજની ત્રણ વરસની હોય, તેમ લક્ષ્મીજીની અગિયાર વરસની હોય.

લાલચમાં પડ્યો તો ખલાસ

પ્રશ્નકર્તા : આપે કહ્યું ને કે અગિયાર વરસે નાણું ખલાસ થઈ જાય તો દસ વરસ થાય ને પછી આપણે એ પૈસાનું સોનું ખરીદી લઈએ તો એ ટકે ને ?

દાદાશ્રી : નવ વરસે સોનું લઈ લે તો પાછું ટકે. પણ એ બુદ્ધિ ત્યારે ના રહે. એ કહે, ‘પણ સોનાનું વ્યાજ ના આવે ને ! માટે મૂકી આવો ને આપણે સાઠ હજાર.’ એ બુદ્ધિ એવું કહે કે ‘જો વ્યાજે મૂકી આવીશું તો બાર મહિને છ હજાર આવશે.’

એટલે આ પૈસાને ધીમે ધીમે સારા

(પા.૧૦)

ઉપયોગમાં વાપરવા. કાં તો મકાન બાંધી દેવું. કંઈ થોડા-ઘણા સોનામાં રાખવા. પણ બધું બેન્કમાં ના રાખવું. નહિ તો કો’ક દહાડો મળી આવશે ગુરુ કે શેરબજારમાં ભાવ સારા છે હમણે. એ લાલચમાં નાખ્યો કે પડ્યો એ !

ખોટ વાળવા જતા ખાય ખોટ

એ તો એક જણની લોભની ગાંઠ છૂટતી નહોતી. પછી શેરબજારમાં એણે સોદા કર્યા. પછી મને કહે છે, ‘દાદા ! મારા ગઈ સાલથી સાઠ હજાર ફસાયા છે.’ ત્યારે મેં કહ્યું, ‘મૂઆ, ત્યાં આગળ તો લોભની ગાંઠ છૂટતી નથી ને પાછું આ શું કર્યું ?’ ત્યારે કહે, ‘લોભના હારુ જ !’ અને સાઠ હજાર જવા બેઠા છે ! તે વિધિ કરી આપો. તે વિધિ કરી આપી તો દસ-પંદર હજાર વખતે પાછા આવ્યા. ત્યારે મૂઆ આમ જતા રહે, એના કરતાં આપણે સારી રીતે ડહાપણથી ના વાપરીએ?

એક મહાત્મા કહે છે, ‘શેરનું કામકાજ મારે બંધ કરી દેવું કે ચાલુ રાખવું?’ મેં કહ્યું, ‘બંધ કરી દેજો. અત્યાર સુધી કર્યું એનું મહીં ખેંચી લો નાણું. હવે બંધ કરી દેવું જોઈએ. નહીં તો આ અમેરિકા આવ્યા ન આવ્યા જેવું થઈ જશે ! હતા એવા ને એવા. કોરે પાટલે જવું પડશે ઘેર!’ કોઈને પૈસા આપેલા હોયને, તે તો બિચારો ખલાસ થઈ ગયો હોય ને તોય સંભારે કે ‘ના ભાઈ, મેં એમના લીધેલા છે.’ ને એ કમાયો હોય તો આપણને બોલાવે કે આવજો મારે ત્યાં, પણ આ કોને ત્યાં બોલાવે ? સહેજમાં આ તો દૂધે ધોઈને ખોઈ નાખ્યા !

આખુંય જગત સાધક-બાધક અવસ્થામાં છે, થોડુંક ભેગું કરે અને પાછું વધારે ખોઈ નાખે. પાછો વાળવા જાય તો જબરજસ્ત ખોટ ખાઈ નાખે.

સંયોગ સારા ન હોય ત્યારે...

કોઈ બહારનો માણસ મારી પાસે વ્યવહારથી સલાહ લેવા આવે કે ‘હું ગમે તેટલી માથાકૂટ કરું છું તોય કશું વળતું નથી.’ એટલે હું કહું, ‘અત્યારે તારો ઉદય પાપનો છે. તે કોઈને ત્યાંથી ઉછીના રૂપિયા લાવીશ તો રસ્તામાં તારું ગજવું કપાઈ જશે! માટે અત્યારે તું ઘેર બેસીને નિરાંતે જે શાસ્ત્ર વાંચતો હોય તે વાંચ ને ભગવાનનું નામ લીધા કર.’

જ્યારે સંયોગ સારા ના હોય ત્યારે લોક કમાવા નીકળે છે, ત્યારે તો ભક્તિ કરવી જોઈએ.

પાપ-પુણ્યને આધીન

પુણ્યના આધારે તમારો પુરુષાર્થ નફો લાવે ને પુણ્ય પરવારે તો એ પુરુષાર્થ ખોટ લાવે.

એ પાપ-પુણ્યને આધીન છે. એટલે પાપનો ઉદય હોય ત્યારે બહુ આંટીઓ વાળવા જઈશ તો ઊલટું જે છે એ પણ જતું રહેશે. માટે ઘેર જઈને સૂઈ જા અને થોડું થોડું સાધારણ કામ કર. અને પુણ્યનો ઉદય હોય તો ભટકવાની જરૂર જ શી છે ? ઘેર બેઠા કામ કરવાથી બધું સામસામી સહેજે ભેગું થઈ જાય! એટલે બન્ને વખતે આંટીઓ વાળવાની ના કહીએ છીએ. વાત ખાલી સમજવાની જરૂર છે.

લક્ષ્મી સંઘરી સંઘરાય નહીં

લક્ષ્મીજી તો એની મેળે આવવા માટે બંધાયેલી જ છે. અને આપણી સંઘરી સંઘરાય નહીં કે આજે સંઘરી રાખીએ તો પચ્ચીસ વર્ષ પછી છોડી પૈણાવતી વખતે, તે દહાડા સુધી રહેશે, એ વાતમાં માલ નથી અને એવું કોઈ માને તો એ બધી વાત ખોટી છે. એ તો તે દહાડે જે આવે તે જ સાચું, ફ્રેશ (તાજું) હોવું જોઈએ.

આ કીડીઓ હોય છે, તે સવારે ચાર વાગ્યાની ઊઠે છે. આપણે ચા પીતા હોઈએ ને ખાંડનો કણ પડ્યો હોય તો લઈને જતી રહે. ‘અરે, તમારે તો નથી છોડીઓ.’ તો પણ લઈને ત્યાં ભેગું કર કર કરે, બીજું કશું કરવાનું નહીં.અન્નના દાણા, ખાંડના દાણા બધું ભેળું કર્યા કરે. પાછું ભૂખ લાગે ત્યારે ત્યાં જઈને ચટકો મારી

(પા.૧૧)

આવે ને પછી બહાર નીકળીને આખો દહાડો આજ વેપાર. તે બહુ ભેગું થાય ને, એટલે પેલો ઉંદર કાણું પાડીને બધું ખઈ જાય.

એવું આ જગત છે. સંઘરો કરશો તો કોઈ ખાનારો મળી રહેશે, માટે એનો ફ્રેશે ફ્રેશ ઉપયોગ કરો. જેમ શાકભાજીને સંઘરી રાખે તો શું થાય? એવું લક્ષ્મીજીનો ફ્રેશે ફ્રેશ ઉપયોગ કરો. અને લક્ષ્મીજીનો દુરુપયોગ કરવો એ મહા ગુનો છે.

ક્રેડિટ ને ડેબિટ

શું કામ લોભિયો થઈને ફર્યા કરે છે ? હોય તો ખાઈ-પીને મોજ કર ને છાનોમાનો ! ભગવાનનું નામ દીધા કર ! આ તો કહે કે ‘આ ચાલીસ હજાર બેન્કમાં છે તે ક્યારેય કાઢવાના નથી.’ તે પાછો જાણે કે આ ક્રેડિટ (જમા) જ રહેશે. ના,એ તો ડેબિટ (ઉધાર)નું ખાતું હોય છે જ. તે જવા માટે જ આવે છે.

મારું કહેવાનું કે ગંભીરતા પકડો, શાંતિ પકડો. કારણ કે જે પૂરણ-ગલન માટે લોકો દોડધામ કરી રહ્યા છે અને ગુણાકાર-ભાગાકાર કરી રહ્યા છે, એ એના અવતારો બગાડે છે અને બેન્ક બેલેન્સમાં કંઈ ફેરફાર થાય એવો નથી, એ નેચરલ (કુદરતી) છે. નેચરલમાં શું કરી નાખવાના છે ? એટલે આ તમારો ભય ટાળીએ છીએ. અમે ‘જેમ છે તેમ’ ખુલ્લું કરીએ છીએ કે સરવાળા-બાદબાકી કોઈના હાથમાં નથી, એ નેચરના હાથમાં છે. બેન્કમાં સરવાળો થવો એય નેચરના હાથમાં છે અને બેન્કમાં બાદબાકી થવી એય નેચરના હાથમાં છે, નહીં તો બેન્કવાળો એક જ ખાતું રાખત. ક્રેડિટ એકલું જ રાખત, ડેબિટ રાખત નહીં. પણ એ જાણે છે કે ડેબિટ થયા વગર રહેવાનું નથી. કેટલાંક માણસ નક્કી કરે છે કે ‘હવે આ ફેરો મારે બેન્કમાં લાખ રૂપિયા રાખી મૂક્યા છે. ફરી ઉઠાવવા જ નથી. ઉઠાવીએ તો મહીં ભાંજગડ થાય ને !’ પણ અલ્યા, ડેબિટનું ખાતું શું કરવા રાખ્યું છે લોકોએ? બેન્કવાળા જાણે છે કે આ લોકો જ્યારે-ત્યારે રૂપિયા ઉઠાવ્યા વગર રહેવાના નથી. છેવટેય મરવાનો તો છે જ.

એટલે આ બધું નેચરલ થયા કરે છે, શું કામ આમાં ચિંતા કરો છો ? ‘ડોન્ટ વરી !’ અને ગુણાકાર-ભાગાકાર બંધ કરી દો ને ! તોય આપણા લોક છાનામાનાં ઓઢીને ગુણાકાર-ભાગાકાર કરે છે ને, કે હવે આ મિલ તો બંધાવાની પૂરી થવા આવી છે. હવે બીજું કારખાનું રચીએ. અલ્યા મેલ ને ! આ છોકરાઓ કહે છે કે ‘બાપુજી સૂઈ જાવ.’ બધાય કહે છે, ‘અગિયાર વાગી ગયા છે. તમારી તબિયત સારી નથી. પ્રેશર (દબાણ) વધી ગયું છે, તે હવે નિરાંતે ઊંઘી જાવ ને !’ પણ મહીં ઓઢીને પાછો યોજના ઘડે. ઓઢીને શાથી કે પોતાની ચંચળતા કોઈ જોઈ ના જાય. એટલે સરવાળા ને બાદબાકી તો નેચરલ થઈ રહ્યું છે પણ ગુણાકાર-ભાગાકાર આ ઓઢીને કર્યા કરે છે !

આટલું વાક્ય સમજે તો પછી બેન્કવાળા જોડે કંઈ ભાંજગડ રહી બહુ ? એમને પૂછીએ કે ‘લાખ રૂપિયા તમે મૂકી જાવ છો, તે ક્યારે ઉપાડશો ?’ ‘એ ખબર નથી.’ પણ તું ઉપાડશે એ નક્કી છે ! ત્યારે કહે કે ‘મારી ઈચ્છા નથી.’ હવે રૂપિયા ઉપાડવાની ઈચ્છા ના હોય ને, તોય ક્યારે ઉપાડી જાય એ કહેવાય નહીં. અલ્યા ! તારું પોતાનું નક્કી કરેલુંય અદબદ છે ! પણ કહે છે શું કે ‘ઈચ્છા નથી.’ નક્કી કર્યું હોય કે નથી જ ઉપાડવા, હવે તો આટલા બચાવવા જ છે. અલ્યા ! તું જ બચવાનો નથી ને આ શી રીતે બચવાના છે તે ! અલ્યા, આ કઈ જાતની પોલિસી (નીતિ) લઈને બેઠો છું તે ? એના કરતાં ખાઈ-પી ને વાપર ને ! તાજાં શાક આવે છે તે ખાને નિરાંતે ! ફ્રૂટ લાવીને નિરાંતે ખા, અને બૈરીને બે-ચાર સારા દાગીના ઘડાવી આપ. પેલી બિચારી રોજ કચકચ કરતી હોય તોય અલ્યા નથી લાવી આપતો!

આ બધું શું છે ? પૂરણ-ગલન છે. અમે

(પા.૧૨)

અમારા જ્ઞાનથી જોઈને કહ્યું છે આ ! હવે કશો ભો-ભડકાટ રહ્યો છે ? એક બાજુ ‘વ્યવસ્થિત’ છે કહીએ અને બીજું કહીએ, બેન્કના સરવાળા-બાદબાકી અગર તો ચોપડાના એકાઉન્ટના સરવાળા-બાદબાકી, અગર તો પેલો ઈન્કમટેક્સવાળો ગજવાં કાપી લેશે, તે બધું ‘નેચરલ’ છે. એ એના હાથમાં સત્તા નથી, એ તો બિચારો નિમિત્ત છે. પણ ગુણાકાર-ભાગાકાર તમારા હાથમાં છે. ‘આ’ ‘જ્ઞાન’ લીધું એટલે હવે એ ગુણાકાર-ભાગાકાર તમે ‘પોતે’ કરો નહીં. કારણ કે ‘તમે’ તો ‘આત્મસ્વરૂપ’ થઈ ગયા. આ તો ક્યાં સુધી ગુણાકાર-ભાગાકાર કરતા હતા ? ક્યાં સુધી યોજનાઓ ઘડતા હતા ? અજ્ઞાન હતું ત્યાં સુધી. અને હવે જો એવું ઓઢીને યોજના કરીએ તો તે ‘ઈફેક્ટ’ (પરિણામ) છે. એ યોજના આવતા ભવના માટે નથી, તે નિકાલી યોજનાઓ છે. બે પ્રકારની યોજનાઓ – એક ગ્રહણીય યોજના અને બીજી નિકાલી યોજના. ગ્રહણીય યોજનામાં મહીં ચૂન-ચૂન-ચૂન-ચૂન થયા કરે. નિકાલી યોજના શાંત ભાવે થયા કરે. યોજના જે કરી છે, એનો નિકાલ તો કરવો પડે ને? અને તમારે આખો દહાડો નિકાલી ભાવ રહે છે ને ?

લક્ષ્મી સ્વભાવથી જ વિયોગી

તે આજે કહે કે પૈસા છે, તે બે વર્ષ પછી કશું જ ના હોય. એટલે લક્ષ્મીનો સ્વભાવ કેવો છે ? ચંચળ. એનું કંઈ ઠેકાણું ના માનવું. એટલો બધો એનો આધાર ના માનવો. આધાર એકલો આત્માનો માનવો, બીજી બધી વસ્તુઓ ચંચળ છે.

લક્ષ્મીનો સ્વભાવ જ વિયોગી છે. એ કહે, ‘મારે હવે સાધન (લક્ષ્મી) આઠ પેઢી સુધી રહે તો સારું’, પણ એનો સ્વભાવ જ વિયોગી એટલે આપણે કહેવું કે ‘તું જા એવી અમારી ઇચ્છા નથી. તું અહીં રહે, તે છતાંય તારે જવું હોય તો મારી ના નથી.’ એવું કહીએ ને એટલે એને એમ ના થાય કે અમારી આમને પરવા જ નથી. ‘અમને તારી પરવા દસ વખત છે, પણ જો તારાથી ના રહેવાય તો તારી મરજીની વાત છે.’ ના રહેવું હોય ત્યારે કંઈ એને મા-બાપ કહેવાય ? આ તો મા-બાપ હોય તેને મા-બાપ કહીએ.

એ તો ઓગળ્યા જ કરે

આ પૈસાનું પાણી થવા સારુ જ પૈસા આવે છે. શેના હારુ આવે છે ? આપણા કમ્પાઉન્ડ (પરિસર)માં એક લાખ મણ બરફનો ઢગલો કરીએ અને મનમાં ખુશ થઈએ કે હવે નિરાંત થઈ ગઈ, કેટલા દહાડા ?

પ્રશ્નકર્તા : પાણી થઈ જાય એ તો.

દાદાશ્રી : આ લક્ષ્મી એટલે બરફ છે. જેટલી રાખી મૂકવી હોય, તેટલી રાખી મેલજો. એ તો ઓગળ્યા જ કરે નિરંતર.

પ્રશ્નકર્તા : દાદા, બરફ હોય તો તો ટાઢકેય આપે, આ લક્ષ્મી તો ઉકળાટ કરાવે.

દાદાશ્રી : આ તો ઉકળાટ કરાવે. એટલે લક્ષ્મી એ આવતા તો બહુ દુઃખ પડે, એને લાવવા માટે બહુ દુઃખ પડે. એને મૂકી રાખીએ તોય પણ દુઃખ પડે. ક્યાં મૂકીશું ? ને સચવાશે કે નહીં ? અને આવી એટલે પછી કાકા સસરાનો દીકરો આવે. અલ્યા ભઈ, સસરાનો દીકરો સાળો આવ્યો તો ઠીક છે પણ તું આવ્યો, અહીંયા આગળ ! તો કહે, ‘ભઈ, દસેક હજાર ડૉલર આપો ને મને !’ એટલે આ છે તો ઉપાધિ છે. હવે કંઈક જોવું તો પડે ને, કંઈ સાવ કંઈ ગાંડું કઢાય છે ?

પ્રશ્નકર્તા : ખરી વાત છે, જોવું તો પડે. હોય તો જોવું પડે.

દાદાશ્રી : આ ઉપાધિ ઊભી. અને જતી વખતે, વપરાતી વખતે તો મહીં ચમ ચમ ચમ થયા કરે, કે એ વપરાઈ ગયા, એ વપરાઈ ગયા.

(પા.૧૩)

ત્યારે મૂઆ, શું એને જોડે લઈ જવાના છે ? અહીંથી કોઈ લઈ ગયેલું ? તો પછી આ હિસાબ ના સમજે બળ્યો કે આ નથી લઈ જવાની ચીજ ?

પૂરણ થયું એટલું ગલન થવાનું જ

આ તો પૂરણ-ગલન સ્વભાવનું છે. જેટલું પૂરણ થયું એટલું પછી ગલન થવાનું ને ગલન ના થાત ને, તોય ઉપાધિ થઈ જાય. પણ ગલન થાય છે એટલે પાછું ખવાય છે. આ શ્વાસ લીધો એ પૂરણ કર્યું ને ઉચ્છ્વાસ કાઢ્યો એ ગલન છે. બધું પૂરણ-ગલન સ્વભાવનું છે. એટલે અમે શોધખોળ કરી છે કે ‘ભીડ નહીં ને ભરાવોય નહીં ! અમારે કાયમ લક્ષ્મીની ભીડેય નહીં ને ભરાવો પણ નહીં!’ ભીડવાળા સૂકાઈ જાય અને ભરાવાવાળાને સોજા ચઢે. ભરાવો એટલે શું કે લક્ષ્મીજી બે-ત્રણ વરસ સુધી ખસે જ નહીં. લક્ષ્મીજી તો ચાલતી ભલી, નહીં તો દુઃખદાયક થઈ પડે.

આ તો પૂરણ-ગલન છે. એમાં પૂરણ થાય ત્યારે હસવા જેવું નથી અને ગલન થાય ત્યારે રડવા જેવું નથી. જ્યારે દુઃખનું પૂરણ થાય ત્યારે કેમ રડે છે? પૂરણમાં જો તારે હસવું હોય તો હસ. પૂરણ એટલે સુખનું પૂરણ થાય તોય હસ અને દુઃખનું પૂરણ થાય તોય હસ. પણ આમની ભાષા જ જુદી છે ને! ગમતી ને ના ગમતી બે રાખે છે ને ! સવારે ના ગમતી હોય તેને સાંજે ગમતી કરે પાછો! સવારમાં કહે, ‘તું અહીંથી જતી રહે’ અને સાંજે એને કહે, ‘તારા વગર મને ગમશે નહિ !’ એટલે ભાષા જ અનાડી લાગે છે ને !

જગતનો નિયમ જ એવો છે કે પૂરણ થાય એનું ગલન થયા વગર રહે નહીં. જો બધા જ પૈસા ભેગા કર કર કરતા હોય તો મુંબઈમાં કોઈ પણ માણસ બૂમ પાડી શકે કે ‘હું સહુથી શ્રીમંતમાં શ્રીમંત છું’ પણ એવું કોઈ ધરાયેલો બોલતો નથી. કારણ કે નિયમ જ નથી એવો !

પાપનું ગલન થાય ત્યારે...

પાપનું પૂરણ કરે છે તે જ્યારે ગલન થશે ત્યારે ખબર પડશે ! ત્યારે તારા હાજાં ગગડી જશે ! દેવતા (અગ્નિ) ઉપર બેઠા હોઈએ તેવું લાગશે ! પુણ્યનું પૂરણ કરીશ ત્યારે ખબર પડશે કે કેવી ઓર મજા આવે છે ! માટે જેનું જેનું પૂરણ કરો તે જોઈ-વિચારીને કરજો, કે ગલન થાય ત્યારે પરિણામ કેવું થાય છે ! પૂરણ કરતાં સતત ખ્યાલ રાખજો, પાપ કરતાં ! કોઈને છેતરીને પૈસો ભેગો કરતાં સતત ખ્યાલ રાખજો કે એય ગલન થવાનું છે. એ પૈસા બેન્કમાં મૂકશો તો તેય જવાના તો છે જ. એનુંય ગલન તો થશે જ. અને એ પૈસો ભેગો કરતાં જે પાપ કર્યું, જે રોદ્રધ્યાન કર્યું, તે તેની કલમો સાથે આવવાનું તે વધારામાં અને જ્યારે તેનું ગલન થશે ત્યારે તારી શી દશા થશે !

આર્તધ્યાન ને રૌદ્રધ્યાનથી ઘટે લક્ષ્મી

આ તો લોક આર્તધ્યાન ને રૌદ્રધ્યાન આખો દહાડો કરે છે. તેનાથી લક્ષ્મી તો એટલી જ આવવાની. ભગવાને કહ્યું કે લક્ષ્મી ધર્મધ્યાનથી વધે અને આર્તધ્યાનથી ને રૌદ્રધ્યાનથી લક્ષ્મી ઘટે. આ તો લક્ષ્મી વધારવા માટે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ઉપયોગ કરે છે. એ તો પહેલાની પુણ્યૈ જો હશે તો જ મળશે.

અત્યારે કોઈ શેઠ હોય ને એની પાસેથી બે હીરા કોઈ લઈ ગયો અને ‘દસ દહાડે પૈસા આપીશ’ એમ કહ્યું, પછી છ મહિના-બાર મહિના સુધી પૈસા ના આપે તો શું થાય ? શેઠને કશી અસર થાય ખરી?

પ્રશ્નકર્તા : મારા પૈસા ગયા, એવું થાય.

દાદાશ્રી : મારું કહેવાનું કે એક તો હીરા ગયા એ ખોટ તો ગઈ અને ઉપરથી પાછું આર્તધ્યાન કરવાનું ? અને હીરા આપ્યા તે આપણે રાજીખુશી થઈને આપ્યા છે, તો પછી એનું કશું દુઃખ હોય નહીં ને ?

(પા.૧૪)

પ્રશ્નકર્તા : લોભ હતો એટલે આપ્યા ને !

દાદાશ્રી : અને પાછો એ જ લોભ આર્તધ્યાન કરાવડાવે છે. એટલે આ બધું અજ્ઞાનતાને લઈને થાય છે. ત્યારે જ્ઞાનમાં કોઈ પ્રકૃતિ નડતી નથી. આત્માને સ્વભાવદશામાં કોઈ પ્રકૃતિ નડતી નથી. એટલે હીરા આપેલા તે ગયા તો ગયા, પણ રાતે ઊંઘવા ના દે પાછાં. દસ દહાડા થઈ ગયા ને પેલો બરાબર જવાબ ના આપતો હોય, તો ત્યાંથી જ ઊંઘવાનું બંધ થઈ જાય. કારણ કે પચાસ હજારના હીરા છે, પણ શેઠની મિલકત કેટલી ? પચ્ચીસ લાખની હોય. હવે એમાં પચાસ હજારના હીરા બાદ કરીને સાડી ચોવીસ લાખની મિલકત નક્કી ના કરવી જોઈએ ? અમે તો એવું જ કરતા હતા, મારી આખી જિંદગીમાં મેં બસ એવું જ કર્યું છે !

ચિંતા કરી ખાય બે ખોટ

શેઠના હીરાના પૈસા ના આવ્યા હોય છતાં શેઠાણી કંઈ ચિંતા કરે ? ત્યારે શું એ ભાગીદાર નથી? સરખા પાર્ટનરશીપ (ભાગીદારી)માં છે. હવે શેઠ કહે કે ‘પેલાને હીરા આપ્યા, પણ એના પૈસા નથી આપતો.’ ત્યારે શેઠાણી શું કહે કે ‘બળ્યું, આપણા કર્યા હશે, તે નહીં આવવાના હોય તો નહીં આવે.’ તોય શેઠના મનમાં થાય કે ‘આ અણસમજણવાળા શું બોલી રહ્યા છે !’ આ સમજણનો કોથળો ! પેલાએ પચાસ હજારના હીરાના રૂપિયા ના આપ્યા તો આપણે આપણી મિલકતમાંથી પચાસ હજાર બાદ કરીને બાકીની મિલકત નક્કી કરી નાખવી. ત્રણ લાખની આપણી મિલકત હોય તો પચાસ હજાર બાદ કરીને અઢી લાખની મિલકત નક્કી કરી નાખવી.

પ્રશ્નકર્તા : એ સમાધાન લેવાની કેવી અજબની રીત છે, એકદમ તરત સમાધાન થઈ જાય!

દાદાશ્રી : એ તો નક્કી કરી નાખવાનું, સહેલો રસ્તો કરી ને ! અઘરો રસ્તો કાઢીને શું કામ છે ?

ખોટનો વેપાર કરે, એનું નામ વણિક કેમ કહેવાય ? ઘેર આપણા ભાગીદારને પૂછીએ, બૈરીને કે ‘આ પચાસ હજારનું ગયું તો તમને કંઈ દુઃખ થાય છે ?’ ત્યારે એ કહે, ‘ગયા માટે એ આપણા નથી.’ ત્યારે આપણે ના સમજીએ કે આ બઈ આટલી સમજણવાળી છે, હું એકલો જ અક્કલ વગરનો છું! અને બૈરીનું જ્ઞાન આપણે તરત પકડી લેવું પડે ને ? એક ખોટ ગઈ તેને જવા દે, પણ બીજી ખોટ ના ખાય. પણ આ તો ખોટ ગઈ તેની જ કાણ માંડ્યા કરે! અલ્યા, ગઈ તેની કાણ શું કરવા કરે છે ? ફરી હવે ના જાય એની કાણ કર. અમે તો ચોખ્ખું રાખેલું કે જેટલા ગયા એટલા બાદ કરીને મૂકી દો !

જુઓને, પચાસ હજારના હીરા પેલો લઈ જનારો નિરાંતે પહેરે અને અહીં આ શેઠ ચિંતા કર્યા કરે ! શેઠને પૂછીએ કે ‘કેમ કંઈ ઉદાસીન દેખાવ છો?’ ત્યારે કહે, ‘કંઈ નહીં, કંઈ નહીં. આ તો જરા તબિયત બરોબર નથી રહેતી.’ ત્યાં ઊંધા લોચા વાળે ! અલ્યા, સાચું રડને કે ‘ભઈ, આ પચાસ હજારના હીરા આપ્યા છે, તેના પૈસા આવ્યા નથી. તેની ચિંતા મને થયા કરે છે.’ આમ સાચું કહીએ તો એનો ઉપાય જડે ! આ તો સાચું રડે નહીં અને ગૂંચાઈ ગૂંચાઈને લોચા જ વાળ વાળ કરે !

બે ખોટ ખાય છે; એક તો પૈસા ગયા તે ખોટ ને બીજી ચિંતા થાય તે ખોટ.

ખોટની ચિંતા કરવી હોય તો આખી જિંદગી કરવી, નહીં તો કરવી નહીં.

મહીંલી મૂડીની જરૂર નહીં ?

અત્યારે આપણે થોડીક આવક હોય, બિલકુલ શાંતિ હોય, કશી ભાંજગડ નથી. તે આપણે કહીએ કે ‘હેંડો, ભગવાનના દર્શન કરી આવીએ !’ અને આ પૈસા કમાણી કરવા રહેલા, તે તો આ અગિયાર લાખ રૂપિયા કમાય તેનો વાંધો નથી, પણ પચાસ હજાર હમણાં ખોટ જવાની થાય કે અશાતા વેદનીય

(પા.૧૫)

ઊભી થાય! ‘અલ્યા, અગિયાર લાખમાંથી પચાસ હજાર બાદ કરી નાખ ને !’ ત્યારે કહે કે ‘ના, એ તો મહીં રકમ ઓછી થાય ને !’ અલ્યા, રકમ તું કોને કહે છે ? ક્યાંથી આ રકમ આવી? એ તો જવાબદારીવાળી રકમ હતી, એટલે ઓછું થાય ત્યારે બૂમ ના પાડીશ. આ તો રકમ વધે ત્યારે તું રાજી થાય છે અને ઓછી થાય ત્યારે ? અરે, મૂડી તો ‘મહીં’ બેઠી છે, એને શું કરવા હાર્ટ ફેઈલ કરીને આખી ધોઈ નાખવા ફરે છે! હાર્ટ ફેઈલ કરે તો મૂડી આખી ખલાસ થાય કે નહીં?

પ્રશ્નકર્તા : થઈ જાય.

દાદાશ્રી : ત્યારે આ બધું શેના સારુ ? ત્યારે પેલી કહે કે ‘પણ મારે તો પેલી પૈસાની મૂડી કિંમતી છે !’ અલ્યા, તમારે મહીંલી મૂડીની જરૂર નહીં ?

ખોટ એ આત્માનું વિટામિન

દુઃખ એ આત્માનું વિટામિન છે ને સુખ એ દેહનું વિટામિન છે. નફો એ દેહનું વિટામિન છે ને ખોટ એ આત્માનું વિટામિન છે.

તોય દુઃખને તું આત્માનું વિટામિન ખાતી નથી અને દુઃખને છે તે તું કાઢવા માટે ફરે છે. આત્માનું વિટામિન નથી લેતી, નહીં ? આ હું તો કેટલું બધું આત્માનું વિટામિન લઈને કેવો થઈ ગયો છું ! હમણે જ પચાસ હજાર ઘાલી ગયો હોય ને, તો વિટામિન ફાકું નિરાંતે ! બહુ સારું થયું ! અને કકળાટ કરે તો પચાસ હજાર પાછા આવે, નહીં ?

પ્રશ્નકર્તા : ના આવે.

દાદાશ્રી : કકળાટ કરે તો ગયેલા પાછા ના આવે.

પ્રશ્નકર્તા : એ તો સમજાઈ ગયું, પાછા ના આવ્યા !

દાદાશ્રી : કારણ બધું જાણું કે શા આધારે થયું છે ?

પ્રશ્નકર્તા : પચાસ હજાર ગયા ત્યારે કકળાટ કરેલો, પણ આવ્યા નહીં પાછા એટલે સમજ પડી ગઈ કે નથી આવતા.

દાદાશ્રી : સમજ પડી ગઈ ને ! હા ! પચાસ હજાર પાછા ના આવ્યા ! તે હજુ સાંધા તો હશે ને! સાંધો રહ્યો નથી ?

પ્રશ્નકર્તા : સાંધો રહ્યો છે પણ એને જોઈને શું થાય ?

દાદાશ્રી : સાંધો રહ્યો છે ત્યાં સુધી કંઈ પાકીયે જાય થોડુંઘણું. આપણે ડેડ મની (પૈસા ગયા એવું) નહીં કહેવું.

પ્રશ્નકર્તા : નથી કહેતી.

દાદાશ્રી : ડેડ મની ના કહેવું. ‘દાદા, એંસી હજાર મૂક્યા છે, શું થશે હવે ?’ ત્યારે મેં કહ્યું, ‘હવે જે થઈ ગયું તે થઈ ગયું ! હવે ડેડ મની ના થાય એટલું જોવું !’

આ તો તમારે હજુ સાઠ હજાર ડેડ મની થયા નથી. પણ સ્ટીમરમાં આપણે જતા હોઈએ અને સાઠ હજારની નોટો તારી પાસે પેકેટમાં ભરેલી હોય અને બહાર ડૉક (વહાણ રાખવાની જગ્યા) ઉપર ફરવા આવ્યા અને મહીં દરિયામાં પડ્યા. પછી એ ડેડ મની કહેવાય. આ ડેડ મની ના કહેવાય. આ તો આવે પાછું. રૂપિયે બે આની, ચાર આની પાછી આવે.

જાય પુદ્ગલનું જ

એટલે જ્યાં લાખ રૂપિયા આપ્યા હોય ત્યાં વખતે એવું લાગે કે ‘પાર્ટી’ બરાબર નથી, તોય પણ શંકા ઉત્પન્ન ના થવા દેવી. ‘શું થશે હવે?’ એનું નામ શંકા પડી પાછી. શું થવાનું છે તે ? આ દેહેય જતો રહેવાનો છે અને રૂપિયા પણ જતા રહેવાના છે. બધુંય જતું રહેવાનું છે ને ! પોક જ મૂકવાની છે ને છેવટે ! છેવટે આને પૂળો જ

(પા.૧૬)

મૂકવાનો ને ! તો વળી પહેલેથી મરીને શું કામ છે ? જીવ ને, નિરાંતે !

આવું બને એટલે હું તે દહાડે શું કરું ?‘અંબાલાલભાઈ, જમે કરી દો, રૂપિયા આવી ગયા !’ કહી દઉ. આ ખોટ ખાવી તેના કરતા આપણે રકમ જમે કરી લેવી સારી ખાનગીમાં, પેલો જાણે નહીં એવી રીતે!

આત્મામાંથી કશું જતું નથી, આ બધું પુદ્ગલનું જાય છે. જાવાનું જતું હોય તો જવા દો ને અહીંથી. જ્યારે ત્યારે તો પૂળો જ મૂકવાનો છે ! આત્મા સિવાયની જગતની બધી જ વસ્તુઓ ખોટ ગુણ્યા ખોટ જ છે.

ખોટ જશે તો પુદ્ગલને ઘેર, ‘આપણે’ ઘેર કોઈ દહાડોય ખોટ જતી નથી. બેઉનો વેપાર જુદો, વ્યવહાર જુદો ને દુકાનેય જુદી ! ભૌતિક ચોપડાની ખોટ શુદ્ધાત્માના ચોપડામાં લાવવી નહીં. તે ભૌતિક ચોપડામાં જ વાળવી.

ખોટું નાણું દુઃખ આપીને જાય

એવું છે, કે જેટલું સાચું નાણું છે, પરસેવાનું નાણું છે, એ કોઈ દહાડોય જતું જ નથી અને આ બિનપરસેવાનું ખોટું નાણું છે ને, તે એની મેળે ગમે તે રસ્તે, આમ જાય, તેમ જાય, ગજવું કપાઈને જાય, પણ ગમે તે રસ્તે જાય, જાય ને જાય જ. સાચું નાણું છે એ આપણને સુખ ભોગ આપીને જાય અને ખોટું નાણું છે એ દુઃખ ભોગ આપીને જાય. એ પછી ડૉક્ટર પાસે પેટ કપાવે, મહીં ચીરા મૂકાવે ને હજારો રૂપિયા ખર્ચે! એટલે ખોટું નાણું દુઃખ આપે, સાચું નાણું સુખ આપે. અમારે ત્યાં ખોટું નાણું નહીં આવવાનું. અત્યારે તો એવું છે કે ખોટું તો બધે પેસી જાય છે, પણ અમારે ત્યાં આમ બહુ ખોટું નહીં પેસવાનું. એટલે કોઈ જાતનો દુઃખ ભોગ ઉત્પન્ન નહીં થવાનો. જેને ત્યાં ખોટું નાણું નહીં આવતું હોય એવા કેટલાંક માણસો હશે, તેને દુઃખ ભોગ ના હોય.

આ લક્ષ્મીને લીધે જ આવું થાય છે. હંમેશાં જો લક્ષ્મી નિર્મળ હોય તો બધું સારું રહે, મન સારું રહે. આ લક્ષ્મી માઠી પેઠી છે, તેનાથી ક્લેશ થાય છે. અમે નાનપણમાં નક્કી કરેલું કે બનતાં સુધી ખોટી લક્ષ્મી પેસવા જ ના દેવી.

ધંધામાં કોઈ વાંકા માણસો મળે તે આપણા પૈસા ખાવા માંડે તો આપણે અંદરખાને સમજીએ કે આપણા પૈસા ખોટા છે, માટે આવા ભેગા થાય. નહીં તો વાંકા માણસો ભેગા થાય જ શી રીતે ? મારેય એવું થતું હતું. એક ફેરો ખોટું નાણું આવેલું, તે બધા વાંકા જ લોકો ભેગા થયેલા. તે મેં નક્કી કર્યું કે આ ના જોઈએ.

નફો-ખોટ બેઉમાં નિભાવી ભાગીદારી

એ તો એવું બનેલું કે એલેપ્પીમાં અમારી પેઢી હતી. અમારી ને અમારા ભાગીદારની ત્યાં પેઢી હતી! સૂંઠ ને મરીનો મોટો બિઝનેસ. કાળા બજારનું ધન ભેગું થયું ને, તે ત્યાં ઓફિસમાં નાખ્યું પછી. પણ ત્યાં આ નાણું ગયું. તે આપણે ફાવ્યા, નિરાંત થઈ ગઈ. તે પછી અમારા ભાગીદારનો કાગળ આવ્યો કે ભલે ગયું હશે, પણ હવે ફરી પાછું રાગે પડે એવું મને લાગે છે. માટે હવે છેલ્લા, વધારે નહીં, પણ ચૌદ હજાર તો મને મોકલો. એટલે મેં ૧૯૪૫-૪૬માં ચૌદ હજાર એમને મોકલ્યા અને કાગળમાં જોડે લખ્યું કે આ ચૌદ હજાર જાય તો ચિંતા કર્યા વગર પાછા આવજો. વખતે આ જાય, ધાર્યા પ્રમાણે ના પડે, અને જાય તો એની ઉપાધિમાં પડશો નહીં. પણ આપણે વહેલી તકે પાછા આવો. આપણે છીએ તો વહેલી તકે કમાઈશું. નહીં તો આપણી પર એટેક (હુમલો) થાય તો શી દશા થાય ? અને એટલે તો ૧૯૪૬ની સાલથી જ એટેક ચાલું થઈ ગયેલા. આ એટેક વધ્યા ક્યારથી ? ૧૯૩૯માં આ હિટલરે વલોણું વલોવ્યું વર્લ્ડનું, ત્યારથી એટેકની શરૂઆત થઈ ગઈ. એટલે પછી મને મારા ભાગીદારનો કાગળ આવ્યો, કે હું ધારતો હતો પણ મારું ધારેલું

(પા.૧૭)

અવળું પડ્યું અને ચૌદ હજાર ગયા. એટલે આ પૈસા સ્વતંત્ર મારે ખાતે ઉધારજો, કારણ કે તમે ના કહ્યું છતાં મેં કર્યું, એટલે મેં કહ્યું, ‘હવે બીજા કોઈ ભાગીદારને આવું કહેશો નહીં. મને કહો તો મારે એવું કશું કરવાનું નથી. મારે તો તમે બીજા લાખ ખોઈને આવો તોય તમારા ભાગીદારમાંથી મટીશ નહીં. તમે જે કરીને આવો તેમાં હું ભાગીદાર અને નફો આવતા હું લેત પાછો, નહીં ? ના લેત ? ના કહ્યા પછી એ નફો આવ્યો હોત તો ના લેત હું ?’

પ્રશ્નકર્તા : હા, લેત.

દાદાશ્રી : તે પછી એ ન્યાય તરત ના સમજણ પડે આપણને ? મેં કહ્યું, ‘તમે જે કરીને આવો છો, તેનો અમને વાંધો જ નથી.’ તે પછી એમના મનમાં બહુ દુઃખ થયું. મેં કહ્યું, ‘ચૌદ હજારમાં શું બગડવાનું હતું તે ? આપણે તો જીવતા છીએ ! આપણે જીવતા છીએ તો ફરી દુનિયા ઊભી કરી નાખીશું.’ ગયા પછી નવી દુનિયા થાય એવી ? આપણે જીવતા છીએ, એટલું કહ્યું એટલે રાગે આવી ગયું પછી.

રૂપિયા જવાના ને આપણે રહેવાના

ધંધામાં જરાક ખોટ જાય કે માણસ દુઃખી દુઃખી થઈ જાય. મારી પાર્ટનરશીપનો નકશો હું તમને કહું તો તમને અજાયબી થશે. લાખ-લાખ રૂપિયા જાય તોય અમે જવા દઈએ. કારણ કે રૂપિયા જવાના છે ને અમે રહેવાના છીએ. ગમે તે હોય પણ અમે કષાય ના થવા દઈએ. લાખ રૂપિયા ગયા તો એમાં શું કહેવાનું ? આપણે છીએ અને આ તો ધૂળધાણી!

ઘેર બધા જ સારા હોય તો જાણવું કે નફો છે. તે દહાડે ચોપડામાં ખોટ હોય તોય તે નફો છે. દુકાનની તબિયત બગડે કે ના બગડે તેનો કંઈ અર્થ નથી, ઘરનાની ના બગડવી જોઈએ. જ્ઞાન થતા પહેલા અમારામાં કૉમનસેન્સ બહુ ઊંચા પ્રકારની, જે ધંધામાં ગમે તેવી ખોટ આવે કે બીજે ક્યાંય પણ ગમે તે બને તોય મૂંઝવણ ક્યારેય નહોતી આવતી. હું જીવડાની પેઠે ક્યારેય જીવ્યો જ નથી. અમે તો તરત જ તારણ કાઢી નાખીએ ને એડજસ્ટમેન્ટ તરત જ લઈ લઈએ.

અનામત નામ પરની સિલક

અમારે ધંધાને ખોટ આવે તો હું કહી દઉ કે વીસ હજાર રૂપિયા અનામત નામે જમા કરી દો. પછી અનામત નામ પરની સિલક કાઢવી. હવે એ સિલક મૂકવી ક્યાં એ તો ભગવાન જાણે ! ખરેખર તો એ સિલક છે જ ક્યાં ? છતાં એવી સિલક હોય અને વખતે આપણે સાચવીને મૂકીએ ને કોઈ લઈ ગયું તો ? એટલે ક્યારે કોઈ લઈ જશે તેનુંય કશું ઠેકાણું નથી. કોના હાથમાં શું સ્પર્શે, તેનુંયે ઠેકાણું નથી. મારી વાત તમને સમજાય છે ને?

આ તો લમણે લખેલું છે

ધંધો કરતા કરતા હું બધા અનુભવના તારણ પર આવેલો. બાકી હું ધંધા પર પણ પૈસાના વિચાર કરતો ન હતો. પૈસાને માટે વિચાર કરે ને, એના જેવો ફૂલિશ (મૂર્ખ) જ કોઈ નથી. એ તો લમણે લખેલા છે, બળ્યા! ખોટેય લમણે લખેલી છે. વગર વિચારે ખોટ આવે કે નથી આવતી ?

પ્રશ્નકર્તા : આવે છે.

દાદાશ્રી : અને નફો ?

પ્રશ્નકર્તા : નફોય આવે.

દાદાશ્રી: એટલે હું નાનપણથી સમજી ગયેલો કે આ લમણે લખેલું છે.

દરેક ધંધા ઉદય-અસ્તવાળા હોય છે. મચ્છર ખૂબ હોય તોય આખી રાત ઊંઘવા ના દે અને બે હોય તોય આખી રાત ઊંઘવા ના દે. એટલે આપણે કહેવું, ‘હે મચ્છરમય દુનિયા ! બે જ ઊંઘવા નથી દેતા તો બધા જ આવો ને !’

(પા.૧૮)

આ નફા-ખોટ એ મચ્છર કહેવાય. એને ઉડાડ્યા કરવાના ને આપણે સૂઈ જવાનું.

ખોટમાં મારી પાર્ટનરશિપ કેટલી ?

ધંધામાં જરાક ખોટ જાય કે માણસ દુઃખી-દુઃખી થઈ જાય. ધંધો કરવામાં તો છાતી બહુ મોટી જોઈએ. છાતીના પાટિયા બેસી જાય તો ધંધો બેસી જાય.

એક ફેરો એવું થયેલું, કે એકદમ અણધારેલું દસ હજાર રૂપિયાનું એક સાહેબે નુકસાન કર્યું. એકદમ આવીને કામ નાપાસ કરી દીધું, અણધાર્યું. પેલું તો આપણને ખબરેય હોય કે ભઈ, આપણે નુકસાન થયું છે. તે પછી મેં કહ્યું, અરે આવું ! અને તે સારા વખતમાં પૈસાની કિંમત, તે દહાડે. અત્યારે તો દસ હજારની કિંમત જ નહીં ને ! તે મને તે દહાડે મહીં ઠેઠ સુધી અસર પહોંચી’તી, એની ચિંતા થાય ત્યાં સુધી પહોંચ્યું’તું. એટલે તરત એની સામો મને અંદરથી જવાબ મળ્યો, કે પાર્ટનરશિપ કેટલી આ ? તો તે દહાડે હું ને કાંતિલાલ બે પાર્ટનર. પણ પછી મેં હિસાબ કાઢ્યો કે બે જણ તો કાગળ ઉપર છીએ. પણ ખરી રીતે કેટલા છે ? તો ખરી રીતે તો કાંતિભાઈના છોકરાઓ, એમના વાઈફ, છોડીઓ, મારે ઘેરથી, આ બધુંય ભેગું થાય, એ બધાય પાર્ટનરને ? ત્યારે મેં કહ્યું, ‘આમાનું કોઈ ચિંતા નહીં કરતું, હું એકલો કંઈ આગળ માથે ઓઢવા બેસું?’ એ વિચારે મને બચાવેલો તે દહાડે. વાત તો ખરી ને ? તમને કેમ લાગે છે મારી વાત ? મારો વિચાર બરોબર છે ?

પ્રશ્નકર્તા : જ્ઞાન થતા પહેલાને પણ ?

દાદાશ્રી : જ્ઞાન થતા પહેલા બચવું તો જોઈએ ને ?

પ્રશ્નકર્તા :પણ દાદા, દેવું થઈ ગયું હોય તો ઊંઘ કઈ રીતે આવે ?

દાદાશ્રી :બધા ઊંઘી ગયા એટલે આપણે સૂઈ જવાનું, ભલે વીસ લાખ દેવું હોય. પણ તે કંઈ બધા જ ઊંઘે છે ને આપણે જાગવાનું ? બહાર જોઈ આવવાનું કે બધા ઊંઘી રહ્યા છે ? તો કહે, હા, તો આપણે સૂઈ જવાનું.

પ્રશ્નકર્તા : પણ દાદા, આ વાત આપે જે કીધી પણ એ જ્ઞાનીનું આલંબન, દાદા સામે છે ત્યારે આ વાત બેસે છે. નહીં તો આ વાત બહુ આમ કઠણ પડે. પણ દાદાનો મોટો આધાર છે ને !

દાદાશ્રી : વહેવારમાં રઘવાયા થયે કેમ પાલવે ? એટલે આપણે કોઈ દુકાન માંડીએ તો અમુક અમુક બજારના રિવાજ હોય, નવ વાગ્યે દુકાનો ખોલવાના. દુકાન માંડીએ તો એ રઘવાયેલો હોય તો સાત વાગ્યામાં જઈને ઉઘાડે. મેર ગાંડિયા, એવું ના કરીશ. બધી દુકાનો જોઈ આવ એક દહાડો. કેટલા વાગે બજાર ઉઘડે છે, તે ઘડીએ ઉઘાડવી. બંધ કેટલા વાગે થાય છે, તે ઘડીએ બંધ કરી દેવાની. એટલે બહાર જોઈ લેવાનું. લોક શું કરે છે એ આપણે કરવું. પચ્ચીસ લાખનું દેવું હોય કે પચ્ચીસ લાખનું લેણું હોય, અને ઘરમાં બધાને જોઈ આવવા, ઘસઘસાટ ઊંઘે છે કે જાગે છે ? પછી અક્કલમાં આવશે કે મારું હારુ હું એકલો જ જાગ્યા કરું છું! મૂરખ છું ! મૂરખનો બંદો ! મૂઆ, વહુ જો ઊંઘે છે ને ! સી ઈઝ ફિફટી પરસેન્ટ પાર્ટનરશિપ (એની પાસે પચાસ ટકા ભાગીદારી છે). તે એ ઊંઘતી હોય તો આપણે નિરાંતે છાતી કાઢીને ઊંઘવું.

પ્રશ્નકર્તા : એ બરોબર છે, પણ એ જે ઊંઘે છે તેને કોણ પૂછવા ને માગવા આવવાનું હતું ? માગવા તો પેલાની પાસે આવે ને ? પેલાને જ જવાબ આપવો પડે ને !

દાદાશ્રી : હા, જવાબ એને આપવો પડે, પણ એનેય પણ ચિંતા થવી જોઈએ ને !

(પા.૧૯)

ફરજ બજાવવાની, ચિંતા નહીં કરવાની

હવે એ બધા નથી જાણતા તોય એમનું ચાલે છે, તો હું એકલો જ જીવ અક્કલ વગરનો, તે ચિંતા કરું આ બધીય ? એટલે પછી મને અક્કલ આવી ગઈ. કારણ કે પેલા બધા ચિંતા ના કરે, ભાગીદાર છે બધા તોય. તેઓ ચિંતા ના કરે તો હું એકલો જ ચિંતા કરું ? હવે એ ના કરે તો મારે કરીને શું કામ છે ? મારે તો મારી ફરજ બજાવવાની, ચિંતા-બિંતા કરવાની નહીં. ચિંતા એ બધું, નફો-નુકસાન એ બધું એ કારખાનાનું હોય છે, આપણે માથે નહીં. આપણે તો આ ફરજ બજાવવાના અધિકારી, બાકી બધું કારખાનાનું હોય છે. કારખાનું માથે લઈને ફરીએ, તો રાતે ઊંઘ કેટલી આવે ?

પ્રશ્નકર્તા : ના આવે ઊંઘ, અનિદ્રા જેવું થઈ જાય.

દાદાશ્રી : ઊંઘ ના આવે, નહીં ? એ તો સારું છે કે તમારે વકીલાત છે, નહીં તો તમનેય કારખાનામાં બેસાડ્યા હોય તો ?

પ્રશ્નકર્તા : ના, દાદા, છોકરાના કારખાના છે, પણ આપને મળ્યા પછી હું તો કારખાનામાં શું થાય છે અને શું કરે છે તે જોતો જ નથી.

દાદાશ્રી : આપણે એ જોવું નહીં.

પ્રશ્નકર્તા : ઊલટું મેં કહ્યું, ‘ડખોડખલ નહીં કરું, દાદાએ બહુ સમજાવ્યું.’

દાદાશ્રી : ના, ના, ઊંડો ઊતરે ને, તો છોકરો ચિંતા કરતો હોય, પાછો આ બાપાય ચિંતા કરે પાછા. છોકરો તો ચિંતા કરતો હોય એના કારખાને, પણ બાપા ઊતર્યા એટલે બાપા જાણે કે સાલું, આટલું જવા માંડ્યું. તે બધા ચિંતા કરે એટલે એ ખોટ જતી રહે, નહીં ?

પ્રશ્નકર્તા : ના, ના..

દાદાશ્રી : ચિંતાથી જ આ ખોટો બધી જાય (થાય) છે. ચિંતાથી જ ખોટો જાય (થાય). ચિંતા કરવાનો અધિકાર નહીં, વિચાર કરવાનો અધિકાર છે. વિચાર કરવાનો અધિકાર છે કે ભઈ, આટલે ! અને વિચાર જ્યારે ચિંતામાં પરિણામ પામે એટલે બંધ કરી દેવું જોઈએ.

પ્રશ્નકર્તા : વિચાર જો ચિંતામાં પરિણામ પામે તો એ વિચાર જ બંધ કરી દેવો જોઈએ ?

દાદાશ્રી : હા, એ વિચાર, એબોવ નોર્મલ વિચાર ગણાય છે !

પ્રશ્નકર્તા : એબોવ નોર્મલ થઈ ગયું.

દાદાશ્રી : હા, એ ચિંતા કહેવાય છે. એબોવ નોર્મલ વિચાર એ ચિંતા કહેવાય છે. એટલે અમે વિચાર તો કરીએ, પણ જે એબોવ નોર્મલ થયું ને ગૂંચાયું પેટમાં, એટલે બંધ કરી દઈએ.

વર્ષનું સરવૈયું તો કાઢો

આખા વર્ષમાં કંઈ એક દહાડામાં ખોટ જાય છે ? વર્ષનું સરવૈયું આખું વર્ષ પૂરું થાય ત્યારે આવેને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તો રોજની ખોટને કંઈ ગણો છો ? તે આજ ખોટ ગયેલી, પરમ દહાડે નફોય આવે. હજુ આખા વરસ દહાડામાં તો કેટલોય નફો-ખોટ આવે ! એટલે આજે ખોટ આવી એની ચિંતા નહીં કરવાની. ચિંતા ક્યારે કરવાની ? વર્ષ દહાડા પછી એ સરવૈયામાં આવે તે દહાડે જરાક ચિંતા કરજે કે ‘ભઈ, હવે આવતી સાલ આવી રીતે ભૂલ નથી કરવી.’ બાકી આ રોજ શું કરવા ચિંતા કરું છું, મૂઆ ? એ દુકાન કોઈ દહાડો ચિંતા નથી કરતી ને તું શું કરવા ચિંતા કરું છું ? એ દુકાન કરે છે ચિંતા ?

પ્રશ્નકર્તા : ના.

(પા.૨૦)

દાદાશ્રી : ત્યારે આપણી દુકાન નહોય ? ત્યારે વાઈફને પૂછી જોવું કે ‘તમે ચિંતા કરો છો ?’ અમે શું કરવા કરીએ, કહે છે. એ તો ઉપરથી એમ કહે કે અમે એમને ના કહીએ છીએ, તમે ચિંતા ના કરશો. ત્યારે આ શું કહે ? એને સમજણ નહીં ને આ. આ અક્કલનો કોથળો ! એની બૈરી કહે, ‘ના ચિંતા કરશો.’ મને હઉ હીરાબા કહેતા’તા, ‘અરે ! આવું શું કરવા કરો છો ? બળ્યું, આખો દહાડો રાત-દહાડો, એક-એક વાગ્યા સુધી ધંધા ઉપર રહો છો !’

ધંધાનો બોજો કોના પર રાખવાનો ?

હવે બોલો, આ ધંધાનો બોજો માથા પર રાખવાનો કે ક્યાં રાખવાનો ? કહો. ક્યાં રાખવાનો ધંધાનો બોજો ?

પ્રશ્નકર્તા : એ નથી ખબર પણ માથા ઉપર જ ચડી જાય.

દાદાશ્રી : ના, એટલે હું તમને કહી દઉ. એક મોટો બિઝનેસમેન હતો, કરોડો રૂપિયાનો બિઝનેસ ચાલે. હવે શેઠ બુદ્ધિશાળી એટલો બધો કે એ દરેક નાની બાબતમાં હઉ ઊતરે ! બુદ્ધિ વધી ત્યારે આ ઊતર્યો ને બુદ્ધિ ઓછી હોય ત્યારે પેલો સેક્રેટરી જે હોય તે કહી દે, એ સાંભળીને ઘરમાં જાય. વધારે બુદ્ધિ એટલે નાની નાની બાબતમાં ઊંડો ઊતરે એ. અને ઊંડો ઊતરે તેમ માથા પર બોજો વધતો જાય.

પછી મેં એને એક દાખલો આપ્યો. મેં કહ્યું, એક મિયાં હતા. તે એક ઘોડો રાખે. હવે ગરીબ માણસ ઘોડો કેવો રાખે? ટટ્ટું જેવું,હવે એ ઘોડાને ખાવા માટે લીલું ઘાસ જોઈએ, તે મિયાં છે તે જાતે ત્યાંથી બાંધી લાવીને ખવડાવે એવા નહોતા, શરીર જાડું હતું એટલે. એ મિંયા ને બીબી બે જ, છોકરાં નહીં. એટલે મિયાં શું કરે ? ખેતરમાં લઈ જઈ ઘોડાને ચરાવડાવે ત્યાં આગળ. આ ઉપર બેસીને જાય પાછા, મિયાં હેંડાય નહીં એટલે ! હવે ઘોડું ટટ્ટુ, મિયાં શરીરે આવા ભારે ! એટલે ઘોડાની કરોડ સહેજ આમ નમી જાય. પછી મિયાં ત્યાં ઉતરીને એમ સારી રીતે ખવડાવે. સારી રીતે ઘોડો ધરાય એટલે પછી મિયાં બેસીને પાછા ધીમે ધીમે આવતા હોય.

હવે મિયાં બેસતી વખતે મનમાં વિચાર કરે કે જો હું શ્વાસ બેઠો લઈશ તો બેસી જશે આ ઘોડું એટલે શ્વાસ જરા ઊંચો રાખે ! ઊંચા શ્વાસે બેસે, મિયાં ! એટલા બધા એ દયાળુભાવે ! હવે એ મિયાં આવતા’તા આવી રીતે અને ઘોડું તો બિચારું ઘોડું, એ તો બંધાયેલું એટલે છૂટકો જ નહીં ને ! મિયાંને કંઈ ના કહેવાય, કે ઊઠ, ઊતરો અહીં. એવું શી રીતે કહેવાય ? એટલે આ મિયાં આવતા’તા આવી રીતે ત્યારે એક જણ છે તે બેઠેલો. ‘અરે ખાનસાહબ, આ ઘોડાને કંઈ ઘાસ આપજો. લ્યો, આ હું ઘાસ આપું. આ જુવારના પૂળા છે લીલા, તે ઘોડાને આપજો.’ એટલે ખાનસાહેબ કહે છે કે ‘ભઈ, મારી પાસે પૈસા-બૈસા નથી.’ ત્યારે પેલો કહે, ‘મારે પૈસા લેવાના નથી.’ ‘લો, એક ભારો તમે લઈ જાવ ને એક હું લઈ જાઉં છું મારે ઘેર !’ હવે મિયાં તો લલચાયા કે યહ તો બહુત અચ્છા ઘાસ ! હવે શું કરવું ? મિયાંની અક્કલ... તે અક્કલ ભઈ ખુદ પિછાણી કે ‘સાલુ આ ઘોડા ઉપર મૂકીશ તો ઘોડો બેસી જશે, માટે લાવ, મારા માથા પર લઈ લઉં હું.’ એટલે મિયાં માથા ઉપર આ મૂૂકી અને ઘોડો ને એ તો ચાલ્યા એટલે સામો કોઈ એક જણ મળ્યો તે કહે છે, ‘ખાનસાહબ, આ માથા પર શું કરવા રાખ્યું ? તમારું મોઢું બગડી ગયું છે ! આ ભાર શું કામ માથા પર લીધો છે ?’ ત્યારે કહે, ‘ઘોડાને ભાર નહીં ને ! એ ઠીક નહીં ને ! એટલે આ મેં માથા પર લીધું છે.’ ત્યારે પેલો કહે, એ તો ઘોડા ઉપર જ વજન જાય છે.’ ‘ઐસા ! તો ક્યા કરને કા ?’ ત્યારે કહે, ‘ઈધર રખો ઘોડા પે હી.’ એટલે મિયાં સમજી ગયા !

રાખવો સંસારનો ભાર સંસારના ઘોડા પર

એવું આ સંસારનો ભાર છે ને, સંસારના ઘોડા પર મૂકી દેવાનો અને આપણે બેસવાનું. આપણે મિયાંની પેઠ આ કઈ ભૂલો કરીએ છીએ ? ખોટ ગઈ ને એટલે સંસારના ઘોડાને કહીએ કે આ ખોટ ગઈ, હવે તારી ઉપર અમે પોટલી મૂકી. નફો આવ્યો તોય તારી ઉપર પોટલી, બા ! નફો ને ખોટ હું માથે લઉ નહીં, કે લેશો ? બોલતા નથી. માથે બોજો, આ શાના હારુ બોજો આપણે ? અને બોજો લેવાની કોને શર્ત છે ? જો અહીંની પાર્લામેન્ટમાં તમે બસ્સો વર્ષનું એક્સટેન્શન કરાવી લાવતા હોય. જેમ આ મુદ્દત વધારીએ છીએ એવી રીતે આની મુદ્દત બસ્સો વર્ષની વધારી લાવો તો વાંધો નથી ! મુદ્દત વધારી શકાશે એ ? ના વધે મુદ્દત ? તો પછી શાના હારુ ? આ બધું એમ ને એમ રહી જશે. એટલે ઘોડા ઉપર મૂકી દેજો. ક્યાં મૂકશો હવે ?

પ્રશ્નકર્તા : ઘોડા ઉપર.

દાદાશ્રી : તમે નામ દેજો (નક્કી કરજો)ને કે મારે ઘોડા ઉપર મૂકી દેવો છે, તો ઘોડા ઉપર મૂકાઈ જશે. તમે બોલતાની સાથે જ બધું થશે આ, કારણ કે અનંત શક્તિ છે અંદર ! આ દાખલો તો તમને સમજાયો ને ?

પ્રશ્નકર્તા : હા, સમજાયો.

દાદાશ્રી : આ લોકો આ દુનિયાને માથે લઈ લે.

પ્રશ્નકર્તા : માથે લઈને ફરે.

નફો-ખોટ ધંધાનો, આપણો નહીં

દાદાશ્રી : કોઈ પૂછે કે આ સાલ ધંધામાં તમે ખોટમાં ગયા છો ? મેં કહ્યું, ‘ના બા, હું કંઈ ખોટમાં ગયો નથી, ધંધો ખોટમાં ગયો હશે વખતે. અને નફો આવ્યો તો ધંધો નફો કમાયો હશે. હું કંઈ નફો-ખોટમાં ગયો નથી’. આમાં આપણે નિમિત્ત છીએ. મૂળ એ બિઝનેસ હતો તો કમાયો. એટલે

(પા.૨૧)

કોણ કમાય છે ? ખરેખર ધંધો કમાય છે અને આ લોકો આરોપ કરે છે કે હું કમાયો. આ બધી ખોટો જાય છે તે નફામાંથી જાય છે કે ઘરમાંથી જાય છે ?

પ્રશ્નકર્તા : નફામાંથી જાય છે.

દાદાશ્રી : ત્યાર પછી અમથા વગરકામના... ખોટ ગણ ગણ કરે.

પ્રશ્નકર્તા : ગણે છે અને એમ જાણે કે ઘરમાંથી ખોટ જતી હોય એવું.

દાદાશ્રી : હા, એવું જાણે. તે આમાં ને આમાં ! નફામાંથી ખોટ જાય છે, મૂડીમાંથી નથી જતી, પણ લોકો નફાને મૂડી ગણે છે.

ઘેરથી લઈને શું આવ્યા’તા ?

સસ્તા જમાનામાં એટલે તે દહાડાના દસ હજાર તો અત્યારે બે લાખ જેવા. તે એવા જમાનામાં દસેક હજારનું કામ સાહેબે નાપાસ કર્યું. તે અમારા ભાગીદાર કહે છે, ‘મારું હારુ આ તો દસ હજાર રૂપિયાનું પાણી કર્યું’ બહુ ડિપ્રેશનમાં આવી ગયા. મેં કહ્યું, ‘કેમ આમ કરો છો ? આપણે ઘેરથી લઈને આવ્યા’તા, એમાંથી કશું છે કે ? રહ્યું કે નહીં ?’ ‘ના, એ તો ઘણુંય છે.’ ત્યારે મેં કહ્યું, ‘મેલોને પૂળો ! બળ્યું, આમાંથી ઘણુંય છે, એમાંથી બાદ કરી નાખવાનું. ઘેરથી લઈને શું આવ્યા’તા? વગરકામના મૂઆ !

પ્રશ્નકર્તા : એટલું તમે સારું કહ્યું. નહીં તો તમે તો જન્મ્યો ત્યારે શું લઈને આવ્યો’તો એવું કહો.

દાદાશ્રી : ના, એ વાત જુદી છે. પણ આમ વ્યવહારમાંય આપણે આ મુંબઈ આવ્યા, તે ઘેરથી શું લઈને આવ્યા’તા ? વગરકામના ડિપ્રેશન કરવાની શી જરૂર છે ? જન્મ્યો ત્યારે શું લઈને આવ્યો’તો એવું બોલવું એ ખોટું છે. ત્યાર પછી તો સ્ત્રી હોય, છોકરા હોય, બધુંય હોય. એ મહીં પાછી જુદી ભાષા. પણ આ ભાષા તો આપણાથી

(પા.૨૨)

કહેવાય કે ભઈ, આપણે અહીં મુંબઈ શું લઈને આવ્યા’તા ને શું લઈ જવાના છે ?

પ્રશ્નકર્તા : દાદા, આપે જે આવી વાત કરી કે ધંધાની અંદર નફો હતો, તેની અંદરથી ખોટ ગઈ ને ! પણ પેલો તો એમ કહે છે કે તમે બોલો આમ, અને એવું એ તમને લાગે છે. ખરેખર પ્રસંગ આવે ત્યારે ખબર પડે. મેં કહ્યું, પોઝિટિવ રહેવામાં શું વાંધો છે ?

દાદાશ્રી: ના, એ પોઝિટિવ જ નહીં, આ અમારા ભાગીદારને તરત જ સંતોષ થઈ ગયો, મોઢામાં ફેરફાર થઈ ગયો. કહે છે, ‘હા, કશું લાવ્યા નથી. આપણે તો આ છે જ.’ ત્યારે મેં કહ્યું, ‘આ છે એમાંથી બાદ કરોને આટલા.’ ‘ઘણું છે’ કહે છે. ત્યારે મેલ ને પૂળો, અમથો !

વપરાયું એટલું આપણું, બીજું બધું પારકું

આ જોડે લઈ જવાનું હોય તો કહે, ‘તો તો પઈએ પઈ સાચવીએ.’ જોડે લઈ જવાના ? અમારા ગામમાંથી એકુંય લઈ ગયેલો નહીં, મેં જોયેલો બધા. તમારા તરફવાળા ખડકીના લઈ ગયેલા, મને લાગે છે ?

પ્રશ્નકર્તા : ખબર નહીં, એ પાછા કહેવા નથી આવતા.

દાદાશ્રી : ત્યારે શું કામ ? કશુંય નહીં, એમ ને એમ હાય હાય વગરકામની! એટલે એક પટેલ મને મળ્યો, આપણું જ્ઞાન લીધા પછી એવો કે ડાહ્યો થઈ ગયો છે. તે લાખ જેવા જાય, તે દહાડે પાંચ-સાત હજાર રૂપિયાનો છે તે ખર્ચો કરી આવે, નહીં ? કરે છે ને પાંચ-સાત હજારનો ખર્ચો ?

પ્રશ્નકર્તા : હા, દાદા. દસ હજાર મહીંથી નીકળી જાય.

દાદાશ્રી : ‘આ જ્ઞાન મળ્યા પછી આનંદમાં રહેતા શીખ્યો’ કહે છે. ‘જ્યારે જાય તે દહાડે, ના જાય ત્યારે ખર્ચો શું કરવાનો ?’ કહે છે. જાય ત્યારે જ ખર્ચો કરવાની મજા ! એની પોઝિટિવનેસ છે. નેગેટિવમાં હું રાંડી. અલ્યા, નહોતા જાણતા પૈણવા બેઠા ત્યારથી મૂઆ, કે આ જશે કોઈક તો વહેલું ? પૈણવા બેઠો ત્યારે ના જાણતો હોય? એ જ્ઞાન નહોતું ? હું રાંડી. લ્યો જતું રહ્યું બધું જાણે ! કાલે હતું અને આજે જતું રહ્યું હોય. ત્યારે શું કહે ? મને દીઠા ગમતા નથી પણ શું કરીએ હવે, ભેગા રહેવું તો પડે ને ? અને ના હોય ત્યારે ‘હું રાંડી’ કહે છે. એવો આ સંસારેય આવો બધો ! વગર કામની હાય હાય, હાય હાય !

કંઈ જોડે લઈ જવાનું છે ? વગર વાંકની પીડા એ બધી ! દરિયો ઊંચે ચઢે ત્યારે મુંબઈમાં દસ ફૂટ ચઢે ને ખંભાતમાં બાવીસ ફૂટ ચઢે, તે ખુશ થવા જેવું નહીં, બાવીસ ફૂટ ઉતરેય પાછું.

પ્રશ્નકર્તા : હા, ઉતરે જ તે.

દાદાશ્રી : અહીં તો દસ જ ફૂટ ઉતરે. એટલે ખુશ થવા જેવું નથી બધું. ચઢ-ઉતર, ચઢ-ઉતર સરખી, ઈક્વલ ને ઓપોઝિટ હોય. કેવું હોય ?

પ્રશ્નકર્તા : ઓપોઝિટ હોય.

દાદાશ્રી : સારા રસ્તે વપરાયું એટલું આપણું, બીજું બધું પારકું.

નફો કે ખોટ, બેઉ પર રાખો સમદ્રષ્ટિ

આ દુનિયામાં વેપારીઓને મોટામાં મોટો ઉત્સવ હોય તો તે ખોટ છે. નફાની ખોટ છે. ખોટ હશે તો નફો આવશે.

એક ધંધાના બે છોકરા ! એકનું નામ ખોટ ને એકનું નામ નફો. ખોટવાળો છોકરો કોઈને ગમે નહીં, પણ બે હોય જ એ તો, બે જન્મેલાં જ હોય.

એક છોકરા ઉપર પક્ષપાત ના રાખવો. નફા ઉપરેય

(પા.૨૩)

પક્ષપાત ના કરવો અને ખોટ ઉપરેય જરા પક્ષપાત ના કરવો જોઈએ. બન્ને સરખી દ્રષ્ટિએ જોવું જોઈએ. ઓરમાયું હોય વખતે તો દ્રષ્ટિમાં (થોડો) ફેર હોય પણ તેથી એની ઉપર આપણે સમાન દ્રષ્ટિએ જોવું જોઈએ.

પ્રશ્નકર્તા : અમે તો બિલકુલ ઊંધી દ્રષ્ટિ રાખીએ, એક પર જ પક્ષપાત. જેમાં નફો તે બાજુ જ ધ્યાન રાખીએ.

દાદાશ્રી : ના, પણ મારું કહેવાનું એ કે એમાં આખી રાત ઊંઘતા નથી. ઘરમાં કકળાટ અને લમણે લખેલી ખોટ તે છોડતી નથી. એટલે મેં તમને વ્યવસ્થિતનું જ્ઞાન આપ્યું છેને હવે, વ્યવસ્થિતનું નથી આપ્યું ?

પ્રશ્નકર્તા : આપ્યું છે.

દાદાશ્રી : પણ આ બુદ્ધિ સંસારની બહાર નીકળવા ના દે. નફો ને ખોટ દેખાડે, જ્યાં ને ત્યાં. પ્રોફિટ એન્ડ લૉસ, પ્રોફિટ એન્ડ લૉસ. અરે મૂઆ, મારે નથી પ્રોફિટેય જોઈતો, નથી ખોટેય જોઈતી. ત્યારે મને કહે, ‘તમે શું પસંદ કરશો ? પ્રોફિટ અને લૉસમાં ?’ ત્યારે કહે, ‘ભઈ, ખોટ !’ જે કોઈ લોકો ના પસંદ કરે એ મારી પસંદગી. ખોટ ! પસંદ કરી તોય કંઈ વળવાનું નથી. ખોટ હોય તોય લમણે લખેલો નફો જાય નહીં, તો એના કરતા પસંદગી આ ખોટ કરીએ શું ખોટી છે તે ? લોકો ખોટની પસંદગી ના કરે. ‘એ બોલશો નહીં, ખોટનું બોલશો નહીં કોઈ...’ મૂઆ, એમ ચોંટી પડવાની છે કંઈ ? અને ચોંટશે તો છોડવાની નથી. માટે કહીને ડર વગરના થઈએ, નીડર થઈને ફરીએ.

આમ કરવી તૈયારી ધંધામાં

ત્યારે મને કહે છે, ‘તમે કંઈ ધંધો કરો તો શું કરો ?’ મેં કહ્યું, ‘જો, અમે નવી સ્ટીમર બનાવીને મૂકીએ દરિયામાં, અને એ સ્ટીમરને જ્યારે તરતી મૂકવાની હોય, તે દહાડે અમે ત્યાં આગળ સત્યનારાયણની કથા કહેવડાવીએ, પૂજા ભણાવીએ, સ્ટીમરની અંદર બધું કરાવીએ. બધા લોકોને જમાડીએ. પછી સ્ટીમરને હું ખાનગીમાં કહી દઉ એના કાનમાં, કે તારે જ્યારે ડૂબવું હોય ત્યારે ડૂબજે, અમારી ઈચ્છા નથી. એમ કહી દઈએ પાછા, હંઅ.. તારે જ્યારે ડૂબવું હોય તો ડૂબજે, એવું આ લોક બોલે ને, તો એ જાણે કે આ નિસ્પૃહ થઈ ગયા છે. આપણે શું લેવાદેવા હવે ? હું કહું, અમારી ઈચ્છા નથી બા. તે આપણે કહી રાખ્યું હોય કે જ્યારે ડૂબવું હોય તો ડૂબજે. અને જો ડૂબે તો આપણે જાણીએ કે અમે કહ્યું’તું અને ના ડૂબે તો નફો છે જ.

એટલે એડજસ્ટમેન્ટ ગોઠવીએ તો પાર આવે એવો છે આ જગતમાં.

ખોટના ઉપાસકને ખોટ ક્યાંથી ?

તે અમેય આખી જિંદગી કંટ્રાક્ટનો ધંધો કરેલો છે અને બધી જાતના કંટ્રાક્ટ કરેલા છે. અને તેમાં દરિયાની જેટીઓ પણ બાંધેલી છે. હવે ત્યાં આગળ ધંધામાં શરૂઆતમાં શું કરતો હતો ? જ્યાં પાંચ લાખ નફો મળે એવું હોય ત્યાં પહેલેથી નક્કી કરું કે લાખેક રૂપિયા મળે તો બસ છે. નહીં તો છેવટે સરભર થઈ રહે ને ઈન્કમટેક્ષનું નીકળશે ને આપણો ખોરાક-ખર્ચ નીકળશે તો બહુ થઈ ગયું. પછી મળ્યા હોય ત્રણ લાખ. તે પછી જો મનમાં આનંદ રહે, કારણ કે ધાર્યા કરતાં બહુ મળ્યા. આ તો ચાલીસ હજાર માનેલા ને વીસ હજાર મળે તો દુઃખી થઈ જાય !

જો રીત જ ગાંડી છે ને ! જીવન જીવવાની રીત ગાંડી છે ને ! અને જો ખોટ જ નક્કી કરે તો એના જેવો એકુય સુખીયો નહીં. પછી ખોટ જ નહીં આવવાની જિંદગીમાંય ! કારણ કે ખોટનો જ ઉપાસક છું એવું કહે, તો આખી જિંદગી ખોટ પછી આવવાની જ નહીં. ઉપાસક ખોટનો થયો પછી શું ?

ખોટના ઉપાસકને જિંદગીમાં ક્યારેય ખોટ ના

(પા.૨૪)

આવે. આ જગતમાં જે નફા કરવાવાળા છે તેમને જ ખોટ આવે છે અને ખોટવાળાને નફો જ છે.

સેવો ખોટના સપના

હવે કયો માણસ ખોટના સપના સેવતો હોય ?

પ્રશ્નકર્તા : ખોટના તો કોઈ નહીં.

દાદાશ્રી : ત્યારે મેં કહ્યું કે ખોટના સપના સેવ, મૂઆ. ‘ખોટ આવજો’ કહીએ. આવવાનો રોલ તો ડિસાઈડ થયેલો છે. મૂઆ, તું શું કામ આમ ગા-ગા કર્યા કરું છું ? આપણે કો’કને હિંમત તો આવે બિચારાને. આપણે ‘ખોટ આવજો’ એમ કહીએ, ત્યારે પેલો ‘હુંય એવું કહીશ’ કહે છે. બહુ સારું બા ! એવું શિખવાડવા ફરું છું. રોલ તો બધો નક્કી થયેલો, એથી આ હિંમત તો રાખ જરા ! અમથો એનું ગા-ગા કર્યા કરું છું, નફો, નફો, નફો ! તું નફો ગા-ગા કરીશ તોય ખોટ આવીને ઊભી રહેવાની છે. ત્યારે કો’ક કહેશે, ‘તમને ખોટ પ્રિય છે ?’ ત્યારે કહે, ‘ના બા.’ ભગવાનના બેઉ છોકરાં નફો ને ખોટ અમારે સરખા. કોઈ અળખામણો નહીં અને કોઈ વહાલોય નહીં. જે વખતે જે આવે એને જમાડીએ અમે. ત્યારે ખરું તો સમતા રાખવી પડશે ને છેવટે. ત્યારે મૂઆ, પહેલેથી રાખ ને ! આ લોકોની નકલો જ કર કર કરી છે. અમારે ટેવ નહીં નકલ કરવાની, પહેલેથી.

પ્રશ્નકર્તા : એમ કેમ, દાદા ? એ શા માટે ?

દાદાશ્રી : મને એવું લાગેલું કે આ જગત આંધળું છે, સાચું નથી. પોતાની બુદ્ધિથી નથી ચાલતું, લોકોની બુદ્ધિથી ચાલે છે.

બધાય નફાની જ આશા રાખે છે. એકુંય માણસ ખોટની આશા રાખતો જ નથી. એક સાલ તો ખોટની આશા રાખીને ચાલ. ખોટ જાય તો સમજજે કે આશા ફળી ! અમે તો ખોટની આશા રાખીએ, બધા જેવું ના રાખીએ.

આખું જગત ખોટને વખોડે છે. એમાં ખોટે તે શું બગાડ્યું? ભગવાનને પૂછો કે ‘સાહેબ, તમને નફો કે નુકસાન નથી ?’ ત્યારે ભગવાન કહે છે કે ‘તું ભ્રાંતિજ્ઞાનથી જુએ છે, ‘રિલેટિવ’ જુએ છે, તેથી નફો-ખોટ દેખાય છે. જ્યારે હું યથાર્થ જ્ઞાનથી જોઉં છું.’

કેટલો નફો ધારવો ?

પ્રશ્નકર્તા : દાદા, આપ્તવાણીમાં સરસ કહ્યું છે કે તમે ધંધો શરૂ કરો ને ખોટ આવે તો વાંધો નહીં એ સ્વીકાર કરી લેવાનું પહેલેથી અને ધારો કે ખોટ આવી તો તમે કહો કે ભઈ, ખોટ આવવાની આપણે નક્કી હતી તો આવી.

દાદાશ્રી : હા. વ્યવહારમાં તો ખોટી આશાઓ ના રાખો. નફો થશે કે ખોટ થશે એ બધી આશાઓ ખોટી રાખે છે ને ?

પ્રશ્નકર્તા : હા, હા.

દાદાશ્રી : અમારે એક ભાગીદાર એવા, તે જગતના લોકોના જેવા, પદ્ધતસરના. જગતના લોકો જેમ ચાલે છે ને, તેમ ધર્મ કરે, ધર્મનું બધું કરે. તે જે કંઈ કોન્ટ્રાક્ટ લે અને આવી જાય ત્યારે બહુ ખુશ થાય. ત્યારે મને કહે, ‘બે-એક લાખ મળે એવા છે.’ મેં કહ્યું, ‘આમ કરો ને, બે લાખ ખોટ જશે ત્યારે શું કરીશું ?’ તો કહે, ‘અત્યારથી એવું ના બોલશો.’ મેં કહ્યું, ‘મારી ઈચ્છા હોય નહીં, ભાગીદાર તરીકે મારી ઈચ્છા ઓછી હોય કંઈ ખોટ કરવાની ? પણ તમે અત્યારથી આ મંડાણ ક્યાં માંડ્યું તે?’ ત્યારે મને કહે છે ‘કેટલા ધારું ?’ મેં કહ્યું, ‘આપણી રકમ બે લાખ રોકાઈ તેનું વ્યાજ અને પ્લસ થોડા આપણા મેન્ટેનન્સના, આપણા પોતાના. એટલે ત્રીસેક હજાર ધારોને.’ ‘એ તો ઈન્કમટેક્ષવાળાનું શું ?’ મેં કહ્યું, ‘ઈન્કમટેક્ષના, જો વધારે કમાઈએ તો આપવાના છેને ! આપણે ત્રીસ ધારોને !’ તો કહે, ‘સારું, ત્રીસ ધારીએ ચાલો’

(પા.૨૫)

અને પછી ધંધો પૂરો થઈ ગયા પછી છેલ્લું બિલ આવે ત્યારે મને કહે છે, ‘આ તો ધાર્યા’તા આપણે ત્રીસ પણ લાખ મળ્યા.’ ત્યારે મેં કહ્યું, ‘કેટલા વધારે મળ્યા ?’ ત્યારે કહે, ‘સિત્તેર હજાર.’ તો મેં કહ્યું, ‘તમારા ધાર્યા પ્રમાણે આપણે કર્યું હોય તો ?’ તો કહે, ‘લાખની ખોટ જાત.’ કેટલી ખોટ જાત?

પ્રશ્નકર્તા : લાખની ખોટ.

દાદાશ્રી : તો એવું કંઈ ધારો કે દર સાલ નફો જ મળે. ખોટી-ખોટી ધારણાઓ વધારીને પછી પાછા કહે, ‘આ વધારે ખર્ચો થઈ ગયો, ફલાણું થઈ ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું.’ પછી ખોટ ગઈ ને, તે કાયમ કકળાટ. કોઈ દહાડો નફો જ એને નથી આવતો અને મારે દર સાલ નફો આવતો’તો.

આ તો લાખેક મળે એવા છે, એવું નક્કી કરે અને પછી સિત્તેર હજાર મળે ત્યારે કહે, ‘બળ્યા, ત્રીસ હજારની ખોટ ગઈ.’ તો આ તો કોઈ દહાડો કમાતો જ નથી ને ! અને જ્યારે ત્યારે રાંડેલો ને રાંડેલો. વહુ સાથે રાંડે છે. વહુ વગર પૈણેલો જોઈએ તેને બદલે વહુ સાથે રાંડેલો હોય છે. જુઓ, આ અવળી સમજણ છે ને ! એટલે મેં કહ્યું, ધંધો કરું તો દસેક હજાર મળે એવું છે. લાખ મળે એવું લાગે ત્યારે નક્કી કરવું કે દસેક હજાર મળે એવા છે. તો એ આપણને પ્રોફિટેબલ છે. આફ્ટર ઑલ ધેર ઈઝ એ પ્રોફિટ. પાછું આફ્ટર ઑલ બોલવું. આફ્ટર ઑલનો શું અર્થ?

પ્રશ્નકર્તા : છેવટે પ્રોફિટ.

દાદાશ્રી : છેવટે પ્રોફિટ તો છે જ.

પ્રશ્નકર્તા : ને દસ હજારની ઉપર !

દાદાશ્રી : હં. અને પછી ચાલીસ હજાર આવ્યા ને ! તો આપણે કહેવું, જુઓ ! દસ હજાર વધ્યા ને ! ચાલો હવે, નાસ્તા-પાણી કરીએ, ચા-પાણી કરીએ.

પ્રશ્નકર્તા : એ દાદા, સંતોષ રહેવા માટેની વસ્તુ છે.

દાદાશ્રી: નહીં આ બુદ્ધિપૂર્વક. બુદ્ધિથી આમાં સુખી કેમ થવાય એવો રસ્તો ખોળી કાઢવો જોઈએ. આ બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા છે. બુદ્ધિ છે નહીં ને અમથા નકામા કોથળા બારદાન વગરકામના ચચ્ચાર આનામાં વેચાય ! આવો મેળ કરતા આવડે નહીં.

ડહાપણવાળું એડજસ્ટમેન્ટ

લાભને જુઓ એનું નામ વીતરાગ વિજ્ઞાન અને ખોટને જુઓ એ સંસાર ભટકવાનું જ્ઞાન !

એટલે અમે દરેક બાબતમાં પહેલું છે તે હિસાબ કાઢી નાખીએ. પછી ખોટ આવે જ નહીં ને ! લોકો ધંધામાં છે તે નક્કી કરે, ‘આ સાલ તો લગભગ પચાસ હજાર ડૉલર મળે એવું તો છે જ’ કહેશે. ત્યારે એજ કામ માટે અમે છે તે શું કહીએ? ના, ખાતા-પીતાય પાંચ હજાર મળશે આપણને. હવે પચાસ હજારવાળાને દસ હજાર ઓછા થઈ જાય, તો દસ હજારની ખોટ ગઈ કહેશે. અલ્યા મૂઆ, ખોટ કંઈ ગઈ ? નફો ચાલીસ થયો ને ! અમે શું કર્યું ? પાંચ કરી હોય ને તો ત્રીસ આવ્યા, જો પચ્ચીસ વધારે મળ્યા ! ગોઠવણી આપણી. એડજસ્ટમેન્ટ એવું હોય કે આપણને આ મન છે ને, એ કૂદાકૂદ ના કરે. મન આપણને પજવે, પછી તેલ કાઢી નાખે. એના હાથમાં લગામ સોંપીએ અને પછી નચાવડાવે, તો લગામ જ શું કરવા આપીએ ? એટલે બધું એડજસ્ટમેન્ટ અમારું બહુ ડહાપણવાળું હોય. તમારે આ ટેપો સાંભળવામાં આવે તો તમને કામ લાગે, એ હેલ્પફુલ થાય.

આ તો કેટલાય અવતાર ટ્રાયલ કરીને જ લાવેલો છું. ત્યારે તો હું તમને આ બધી અનુભવી વાતો કરી શકું છું. અને તો ખુલાસો થાય ને ! ખુલાસા ના થાય તો માણસ ગૂંચાય.

જય સચ્ચિદાનંદ