કષાયોના ‘ઉપરાણા’ સામે પુરુષાર્થ

સંપાદકીય

અક્રમ વિજ્ઞાનનું તારણ ટૂંકમાં શું છે ? હું શુદ્ધાત્મા જ છું, કેવળ જ્ઞાતા-દ્રષ્ટા જ છું અને જે પોતાના જીવનમાં બની રહ્યું છે એ પાછલો ભરેલો માલ નીકળી રહ્યો છે, એને જોયા કરવાનું છે. હવે ત્યાં ક્યાં ભૂલ થાય છે ?

૧) ભરેલો માલ છે, તેની ખબર ના પડી તો પૂરી ખોટ.

૨) ખબર પડી કે આ ભરેલો માલ છે, એને જુદું જોયું નહીં તો પાર્શિયલ (આંશિક) ખોટ. આમાં એ ભૂલને ચાલવા દે, એનું રક્ષણ કરે, ઉપરાણા લે અને એના વિરોધમાં પડતો નથી. એટલે એ જોવા-જાણવામાં ક્યારે એ ચૂકી જવાશે, એ ખબર નહીં પડે.

૩) ‘હું શુદ્ધાત્મા છું’ એ સિવાયનું જે કંઈ પણ નીકળે છે એ ભરેલો માલ નીકળે છે. એને જુદું જોવા ને જાણવાનો એટલું જ નહીં પણ સાથે સાથે આપણો પ્રજ્ઞા તરફથી સ્ટ્રોંગ વિરોધ હર સમયે હોવો જ જોઈએ કે ‘આ ખોટું છે, આ ના હોવું જોઈએ’ તો આપણે જીત્યા ને ભરેલો માલ ઘર ખાલી કરીને જાય.

પહેલા તો, ક્રોધ થાય ત્યારે ખબર જ નથી પડતી. તેથી ક્રોધ કર્યા પછી પસ્તાવો નથી થતો, એ અજાગૃતિ-બેભાનપણું કહેવાય. જાગૃતિ હોય તો ક્રોધની ખબર પડે. પછી પસ્તાવો શરૂ થાય, પ્રતિક્રમણ થાય. હવે પ્રતિક્રમણ થતા હોય છતાં જો કોઈ ભૂલ કાઢે તો છંછેડાય છે ને ઉપરાણું લઈને પ્રકૃતિનો પક્ષ લેવાય છે. પણ જેમ જેમ જુદાપણાની જાગૃતિ વધશે, તેમ તેમ દોષ ઊભો થાય ત્યાં જ વાળી લેવાશે. પછી આગળ જતા ક્રોધ ઊભો થતા પહેલા શમાવી લેશે, અને એથી આગળ જાગૃતિ વધતા ક્રોધ ઊભો થવા જ નહીં દે.

જ્ઞાની પાસેથી સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ થવાથી પોતે નિષ્પક્ષપાતી થાય છે. નિષ્પક્ષપાતી થાય નહીં ત્યાં સુધી આ તન્મયાકારપણાની ભૂલો દેખાતી નથી. સંજોગોના દબાણમાં પ્રકૃતિ ગોથાં ખાય છે, ત્યાં દાદાશ્રી કહે છે કે પ્રકૃતિ માટે વીતરાગ રહો, રાગ કે દ્વેષ કરશો નહીં, ઉપરાણું પણ એનું લેશો નહીં. પ્રાકૃતિક ભૂલોમાં તન્મયાકાર ના થવું એ જ ખરો પુરુષાર્થ છે.

પ્રસ્તુત અંકમાં કષાયોમાં લેવાતા ઉપરાણા સામે પુરુષાર્થ આદરવા માટે ચાવીઓ મળે છે, જેમ કે જુદા-જુદા સંજોગોમાં કેવી રીતે જુદું જોવું, તન્મયાકાર ના થવું, તપ કરવું વિગેરે. ઉપરાણા લેવાથી પ્રકૃતિનું રક્ષણ થશે અને પાંચ આજ્ઞા પાળવાથી આત્માનું રક્ષણ થશે. માટે હવે મહાત્માઓએ પોતાના સ્વરૂપનું લક્ષ રાખી પ્રકૃતિના વિરોધમાં બેસવા જેવું છે. કરોડો અવતારેય જે વસ્તુ પ્રાપ્ત ના થાય, એ સહેજે પ્રાપ્ત થઈ છે. માટે હવે એ કૃપાથી પ્રાપ્ત થયેલ ‘આત્મપદ’નું રક્ષણ કરવાનું છે.

~ જય સચ્ચિદાનંદ.

કષાયોના ‘ઉપરાણા’ સામે પુરુષાર્થ

(પા.૬)

પોતાની પ્રતિષ્ઠાથી ઊભા કષાયો

પ્રશ્નકર્તા : દાદા, આ કષાયોનું ઉપરાણું કેવી રીતે લેવાય છે ? એ કઈ સમજણે બંધ થાય ?

દાદાશ્રી : છોકરાંને ખૂબ ક્રોધે થઈને મારે. પછી બાઈ કહે, ‘આવું શું કરવા છોકરાને બિચારાને માર્યો ?’ ત્યારે કહે, ‘તું ના સમજે, મારવા જેવો જ છે.’ એટલે ક્રોધ સમજી જાય કે ‘ઓહોહો, મારો ખોરાક આપ્યો ! ભૂલ તો નથી જાણતો, પણ હજુ મારવા જેવો છે, એવો અભિપ્રાય આપે છે, માટે આ મને ખોરાક આપે છે.’ આને ખોરાક આપ્યો કહેવાય. આપણે ક્રોધને એન્કરેજ (પ્રોત્સાહિત) કરીએ, ક્રોધને સારો ગણીએ, એ એને ખોરાક આપ્યો કહેવાય. ‘ક્રોધ ખરાબ છે’ એવું જાણીએ તો એને ખોરાક ન આપ્યો કહેવાય. ક્રોધનું ઉપરાણું ખેંચ્યું, એનો પક્ષ લીધો તો એને ખોરાક મળી ગયો. તે ખોરાકથી તો જીવી રહ્યા છે. લોક તો એનો પક્ષ લે ને ?

આ ક્રોધ-માન-માયા-લોભની નબળાઈઓ છે, તો મુસીબતોનો સામનો શી રીતે થાય ? ક્રોધ-માન-માયા-લોભમાં જ જગતના બધા જ વિષયો સમાઈ જાય છે. ક્રોધ અને માયા એ તો રક્ષક છે. મૂળ લોભમાંથી જ ઉત્પન્ન થયું છે. માનીને માનનો લોભ હોય છે. કપટ પાછું એનું રક્ષણ કરે.

ક્રોધ-માન-માયા-લોભ, આ ચારેય શેનાથી ઊભા થાય છે ? પોતાની જ પ્રતિષ્ઠાથી.

માન-લોભના રક્ષક ક્રોધ-કપટ

ક્રોધ-માન-માયા-લોભ છે, આમાં ક્રોધ અને માયા એ તો માન અને લોભના રક્ષકો છે. લોભનો ખરેખર રક્ષક માયા છે અને માનનો ખરેખર રક્ષક ક્રોધ. છતાંયે માનને માટે પછી માયા થોડીઘણી વપરાય. કપટ કરીને પણ માન મેળવી લે.

અત્યારે તમે કોઈની જોડે જરા ગુસ્સામાં એને એક-બે ધોલ મારી દીધી, પછી તમને મહીં છે તે મનમાં ખરાબ લાગે કે ખોટું થયું. છતાં પેલા ભાઈ આવીને પૂછે, ‘અરે ચંદુભાઈ, આવી ધોલ મરાતી હશે, રસ્તા ઉપર આવું ?’ ત્યારે તમે શું કહો ? ‘એમને મારવા જેવા જ છે, તમને ક્યાં ખબર ?’ હવે અંદરખાને જાણો છો કે ખોટું થયું છે, છતાં પેલા ભાઈ આગળ શા હારુ આવું બોલો છો ?

પ્રશ્નકર્તા : પોતાનું માન જાળવવા.

દાદાશ્રી : હા, એ ગુનામાં પેઠો પાછો. આપણે બધું એકસેપ્ટ (સ્વીકાર્ય), એફિડેવીટ કર્યું કે આ ખોટું થઈ રહ્યું છે. હવે એને કહે ને કે ‘ભાઈ, મારાથી ખોટું થયું, ખરાબ થયું છે.’ પણ હવે ત્યાં આગળ બચાવ કરે છે. તો શું થાય ? આ પુરુષાર્થ બધો ! આવા ને આવા પુરુષાર્થથી જગત લટક્યું છે ! કરતા હશે કે નહીં કરતાં હોય પુરુષાર્થ આવો ?

પ્રશ્નકર્તા : એવો જ કરીએ છીએ, ઊંધો જ.

દાદાશ્રી : એ ઊંધો પુરુષાર્થ.

લોભની ગાંઠનું કરે રક્ષણ

એક માણસ તો એટલો બધો લોભિયો કે એણે આપણે ત્યાં આવવાનું જ છોડી દીધું અને બીજાઓએ જ્યારે મંદિર માટે પૈસા આપવા માંડ્યા ત્યારે એ કહે, ‘દાદા તો પૈસા લેતા નથી ને તમે શું કરવા એમને ઊંધે રસ્તે ચઢાવો છો ?’ હું સમજી ગયો કે આ માણસ બહુ લોભી છે. ચાર આનાય ના

(પા.૭)

છૂટે અને ત્યાં એને ઘેર તમારે ચા પીવાની ઈચ્છા ના કરવી. પાય તો સારું, કહીએ. એ માણસનો દોષ નથી. એના પર દ્વેષ કરવા જેવો નથી. એ ગાંઠ એને બિચારાને પજવે છે. એ માણસનો દોષ નથી. લોભિયો એટલે ચોગરદમ એનું રક્ષણ કર્યા જ કરે. આખો દહાડો વિચારોથી રક્ષણ કર્યા જ કરે, એનું નામ લોભિયો. શેનું રક્ષણ કર્યા કરતો હોય ? એના આત્માનું નહીં, લોભનું જ રક્ષણ કર્યા કરતો હોય. જન્મ્યો ત્યાંથી તે મરતાં સુધી, છેલ્લા સ્ટેશન સુધી. મરતી વખતેય લોભની વાત કરે.

લોભની ગાંઠ તોડવાનો ઉપાય

અહંકારી પ્રકૃતિ હોય તે ગમે ત્યારે તમે જુઓ ત્યારે અહંકારમાં જ હોય અને લોભી પ્રકૃતિ હોય ને તે જન્મ્યો ત્યારથી તે છેલ્લા સ્ટેશને જાય, તોય લોભ હોય એનો. છેલ્લા સ્ટેશને જવા માટે લાકડાંઓ કરી રાખ્યા હોય ને, તે એ કહે કે ‘ભઈ, આ પેલા લાકડાં ને આટલાં જ મારે માટે વાપરજો, હંઅ. બીજા છે તે આપણા ઘરના માટે છે.’ પાછો એવું બધું ચોખ્ખું કહીને મરે. કારણ કે એને લોભ છે ને ! એટલે એ એનો પ્રકૃતિ સ્વભાવ.

પ્રશ્નકર્તા : એ પ્રકૃતિ ઓછી થાય ?

દાદાશ્રી : ઓછી થાય તેય તમે નથી કરનાર. એના પુરુષાર્થથી નથી થતી, એ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે ઓછી થાય છે અગર વધી પણ જાય. એ એવિડન્સના આધારે વધી પણ જાય કે ઓછી થઈ જાય. એ પ્રકૃતિ આપણી સત્તામાં નથી. એટલે તમારે તો એ જોવાનું કે ઓહોહો ! આટલી બધી લોભી પ્રકૃતિ છે, તો આખી જિંદગી આ પ્રકૃતિ છોડવાની નથી. એટલે આપણે ભાવના શું કરવાની કે ‘જેમ બને તેમ જગતના કલ્યાણ માટે મારી જે કંઈ મિલ્કત હોય તે વપરાઓ.’ એવી ભાવના કરીએ તો એ ભાવનાનું ફળ, તે આવતો ભવ તમારું મન મોટું હોય. આ તો બગડી, આ અવતાર તો ગયો પણ હવે નવો તો સુધારો, બળ્યો ! એટલે આ પ્રકૃતિ જોઈને તમારે નવી સુધારવાની. આ તમને ચેતવે છે કે નવું સુધારો, આ ના ગમતું હોય તો અને ગમતું હોય તો, રહેવા દો. એટલે ભાવના જ કરવાની છે, બીજું કંઈ કરવાનું નથી.

જુદા પડી જોનારને જડે લોભ

લોભનો પ્રતિપક્ષ શબ્દ છે ‘સંતોષ.’ પૂર્વભવમાં જ્ઞાન કંઈક થોડું ઘણું સમજ્યો હોય, આત્મજ્ઞાન નહીં, પણ જગતનું જ્ઞાન સમજ્યો હોય, તેને સંતોષ ઉત્પન્ન થયેલો હોય અને જ્યાં સુધી આ ના સમજ્યો હોય, ત્યાં સુધી એને લોભ રહ્યા કરે.

અનંત અવતાર સુધી પોતે ભોગવેલું હોય, તે એનો સંતોષ રહે કે હવે કશી ચીજ જોઈએ નહીં અને ના ભોગવેલું હોય તેને કઈ કઈ જાતના લોભ પેસી જાય ! પછી આ ભોગવું, તે ભોગવું ને ફલાણું ભોગવું રહ્યા કરે.

આપણું વિજ્ઞાન તો બધું ખબર પાડી દે કે આ લોભ આવ્યો, આ ફલાણું આવ્યું છે. કારણ કે જુદા પડીને જોનાર છે ને ! તે ચંદુભાઈનો લોભ છૂટે નહીં, પણ આપણને સમજણ પડે કે આ ચંદુભાઈનો લોભ છૂટતો નથી. એટલે આપણે સળી કરી આપીએ ને પછી ! આડુંઅવળું સમજાવીને પાંચ-પચ્ચીસ હજાર રૂપિયા અપાવી દેવડાવીએ કોઈ સારી જગ્યાએ !

માયા-કપટ કરે રક્ષણ

હવે કપટ શું (ખોરાક) ખાતું હશે ? રોજ કાળાબજાર કરતો હોય પણ કપટની વાત નીકળે, ત્યારે મૂઓ બોલી ઊઠે કે આવા કાળાબજાર અમે

(પા.૮)

ના કરીએ. આમ તે ઉપરથી શાહુકારી બતાવે, તે જ કપટનો ખોરાક.

પ્રશ્નકર્તા : કપટ એટલે શું ?

દાદાશ્રી : વસ્તુને ઢાંકવા ફરે. આ બધું કપટ જ કહેવાય ને ! મહીં ઊંધું આ કપટે જ કરાવડાવ્યું ને બધે. અહંકાર ને કપટ બેઉ ભેગા થાય ત્યારે થાય ને આવું ! ઊંધે રસ્તે કોણ લઈ જાય ? ક્રોધ-માન-માયા-લોભ, એ બધા ચારેવ ભેગા થાય ત્યારે ઊંધે રસ્તે લઈ જાય. મૂળ બધું અહંકારનું. અને મહીં લોભ શેનો ? મહીં એને સ્વાદ હોય.

જાગૃતિ જ્ઞાનમાં પરિણામ પામે, તે પહેલાં તો કપટનો એક અંશ ના રહેવો જોઈએ. કોઈ પણ પ્રકારના કપટનો અંશ ના રહેવો જોઈએ, વિષયનો અંશ ના રહેવો જોઈએ. એટલે વિષયનો વિચાર પણ ના આવવો જોઈએ.

પ્રશ્નકર્તા : ‘માયા એટલે કપટ’ એમ આપે કહ્યું, એટલે કપટની અંદર જ વિષયો છે ?

દાદાશ્રી : ના, કપટની અંદર વિષયો એવું નથી, વિષયને ભોગવવા માટે હથિયાર વાપરે છે આ કપટનું ! તે વિષયને વધુ ભોગવવાની લાલચ એ લોભ અને એ લોભ કરતાં જો કદી વચ્ચે કોઈ આડો આવે ત્યાં કપટ કરી નાખે. લોભનો રક્ષક છે કપટ અને માનનો રક્ષક ક્રોધ. એટલે ક્રોધ માનનો ગુરખો છે અને પેલું કપટ એ લોભનો ગુરખો છે. મૂળ તો બે જ જણ, પણ બે એમના ગુરખા !

માનમાં કપટ નથી. માનમાં કપટ હોત તો જાગૃતિ જ ઉત્પન્ન ના થાય. કપટ એટલે પડદો ! જેમાં પડદો એ ન દેખાય, તેમાં એ અંધ હોય.

લોકો ક્રોધને મારે છે ને ? કોઈ છે તે લોભને મારી મારીને ઓછો કરે. ત્યારે પેલી માયા શું કહે છે ? માયા કહે છે કે ‘‘મારા છ પુત્રો છે, ક્રોધ-માન-માયા-લોભ, રાગ ને દ્વેષ. એ મારા છ છોકરાં અને હું સાતમી, અમને કોઈ નિર્વંશ કરી શક્યા નથી. હા, એક ફક્ત ‘જ્ઞાનીપુરુષ’ એકલા જ અમને નિર્વંશ કરી શકે. બાકી, કોઈ અમને નિર્વંશ કરી શકે નહીં. તું ગમે એટલા મારા ક્રોધને મારીશ, તું લોભને મારીશ, પણ જ્યાં સુધી મારો માન નામનો છોકરો જીવતો છે, ત્યાં સુધી બધા જીવંત થઈ જશે.’’

કષાયો આમ જમી જાય છે

આ ક્રોધ-માન-માયા-લોભની શક્તિઓ મહીં બેસી રહેલી હોય. તે ‘ક્યારે દાદાને છોડે અને વળગી પડું’ કહે છે. એ ગમે તે રસ્તે આડું-અવળું દેખાડીને પણ આ છોડાવવા તૈયાર થાય. કારણ કે એ જ્યાં સુધી ઊભા રહેલા છે, હજુ સાબૂત છે ત્યાં સુધી નિર્વંશ થાય નહીં. ત્યાં સુધી બોલવા જેવું નથી. એ વાણી તો વા-પાણી થઈ જશે. માટે એ બોલવા જેવું નથી.

જે દોષ ઉદયમાં આવે ને તેમાં મીઠાશ મળે, એ ખોરાક મળ્યો કહેવાય. ક્રોધ-માન-માયા-લોભને ખોરાક મળે. પછી તો પેલી બાજુ જોશબંધ શક્તિ વાપરે ! આ તો ખોરાક નહીં આપેલો, તે થોડા દહાડા ભૂખ્યા રહ્યા હતા ને, તેને લીધે નિર્બળ થઈ ગયેલા. પણ આપણા લોકો મહીં થોડુંક થોડુંક આપે છે. બહુ દયાળુ છે ને, લાગણીવાળા બહુ ને ! કહેશે, ‘લ્યો, દાળ-ભાત ને આ થોડું લ્યો. અરે, દાદાની પ્રસાદી તો લો.’ એટલે થોડો થોડો ખોરાક આપે છે. જો બિલકુલ ભૂખ્યા રાખવામાં આવે તો ત્રણ વર્ષથી આગળ ટકે નહીં. એ ગયા એટલે સર્વસ્વ બધું સામ્રાજ્ય આપણા હાથમાં આવ્યું.

એવી ખબર પડે છે કે પેલા કષાયો જમી જાય છે એવું ? ખબર પડે કે આ કોણ જમી

(પા.૯)

ગયું ? કષાયો આવું બધું જમી જાય. મહિનામાં બે વખત જ ખાવાનું મળ્યું, તો પાછાં હતા તેવાં ને તેવાં મજબૂત થઈ જાય.

અમારી પાસે તો કોઈ દહાડોય જમી નથી ગયા. ત્યાર પછી જતા રહેલા ને ! ફરી અમે નક્કી કર્યું હોય કે ‘એમને જમાડવા નથી’, એટલે જમે નહીં. માટે જાગૃતિ જોઈએ.

હજુ પેલા કષાય બધા બેસી રહ્યા છે, જતા રહ્યા નથી. ત્યારે મેં માર્યાય નથી. હું કંઈ હિંસક છું જ નહીં. એટલે એ જતા રહ્યાય નથી. તેમ આપણે ભૂખે મારવા છે, એવુંય નથી. એ ‘જ્ઞાની પુરુષ’ના તાપથી છેટા જતાં રહે, તેમાં આપણે શું કરીએ ? આપણે જાણી-જોઈને ના બોલાવીએ પછી. તમારી પાસે કોઈ દહાડો જમવા આવે છે ?

પ્રશ્નકર્તા : આવે, દાદા.

દાદાશ્રી : આજે કાચું ખવડાવો, તો કાલે પાકું ખાઈ જાય. માટે એમની પાસે ખવડાવવાનો વ્યવહાર જ ના રાખવો. જમાડવાનો વ્યવહાર જ નહીં. બાકી લોક બધાય ક્રોધને જમાડે, માનને જમાડે.

પ્રશ્નકર્તા : આ બધો ખોરાક કષાયો જ ખઈ જાય, તો શું કરવું ?

દાદાશ્રી : એ તો જમી જાય. છતાં ‘દાદાજી’ માથે છે, કૃપાથી બધું ચોખ્ખું થાય એવું છે. જાતે આ સત્સંગમાંથી આઘાપાછા થાવ તો તરત ચોંટી પડશે બધું. આપણે તો ‘દાદાજી’નો આશરો છોડવો નહીં, પગ છોડવા નહીં !

આ તો ક્રોધ-માન-માયા-લોભ બધાંય દબાયેલાં છે. એય હજુ બરોબર લાગમાં આવે ને, તો ભભૂકી ઊઠે. માટે પૂરું કરવું હોય તો આ રસ્તો કે બધા ક્ષય થવા જોઈએ.

આ બધી વંશાવળી ઓછી થઈ જશે ત્યારે કામ થશે. આ વંશાવળી ઓછી કરવી એ તો વિકટ કામ છે. અનંત અવતારનો માલ બધો ! આ બધા ગુણો ઉપશમ થઈ ગયેલા છે. હવે એમાંથી કેટલાક ફૂટી નીકળે. અને કેટલાક આવતે ભવ ફૂટશે, તેનો વાંધો નથી. આવતો ભવ તો આપણે જાણે કે પદ્ધતિસરનો ભવ છે, પણ અહીં ફૂટી નીકળે તો વેષ થઈ પડે. અહીં તો પછી, અહીંથી ખસવા જ ના દે !

પોષણ ના મળતા ઓગળશે ગાંઠો

આ ગાંઠો એ તો આવરણ છે ! એ ગાંઠો છે ત્યાં સુધી આત્માનો સ્વાદ ના આવવા દે. આ જ્ઞાન પછી હવે ગાંઠો ધીમે ધીમે ઓગળતી જવાની, કંઈ વધવાની નથી હવે. છતાં કઈ ગાંઠો હેરાન કરે છે, કઈ પજવે છે એટલી જ જોવાની હોય, બધી ગાંઠો જોવાની ના હોય. એ તો જેમ આ માર્કેટમાં શાકભાજી બધી પડી હોય, પણ એમાં કયા શાક ઉપર આપણી દ્રષ્ટિ જા જા કરે છે, તેની જ ભાંજગડ, એ ગાંઠ મહીં મોટી છે !

તારે કઈ કઈ ગાંઠ મોટી છે ?

પ્રશ્નકર્તા : વિષયની એક મોટી છે, પછી લોભની આવે, પછી માન-અપમાનની આવે છે. પછી કપટમાં તો, પોતાનો બચાવ-સ્વરક્ષણ કરવા માટે કપટ ઊભું થાય.

દાદાશ્રી : બીજા કશા માટે કપટ નહીં ને ?

પ્રશ્નકર્તા : અપમાનનો ભય હોય કે પોતાની ભૂલ હોય તો.

દાદાશ્રી : હા, પણ એ સિવાય બીજી કોઈ વસ્તુ માટે કપટ નહીં ને ? આ બધી ગાંઠો કપટવાળી જ હોય. તે કપટ કરે તો જ એનું ફળ મળે !

(પા.૧૦)

મોટી ગાંઠ હોય તો બહુ વિચાર આવે અને ચોરી કરી પણ આવે. અને પાછો કહે છે કે ‘મેં કેવી ચાલાકીથી ચોરી કરી!’ એવું કહે, એટલે ચોરીની ગાંઠને ખોરાક મળી જાય. પોષણ મળે એટલે નવા બીજ પડ્યા કરે ને ચોરીની ગાંઠ મોટી ને મોટી થતી રહે. જ્યારે બીજો ચોર હોય તે ચોરી કરે ખરો પણ સાથે સાથે એને મહીં ડંખ્યા કરે કે ‘આ ચોરી થાય છે તે બહુ ખોટું થાય છે, પણ શું કરું, પેટ ભરવા કરવું પડે છે.’ તે હૃદયપૂર્વક પશ્ચાત્તાપ કરતો રહે એટલે ચોરીની ગાંઠને પોષણ ના મળે. અને આવતા ભવ માટે ‘ચોરી ના કરવી’ એવા બીજ નાખે છે, તે બીજા ભવે ચોરી ના કરે.

જેમ જેમ સત્સંગ થશે તેમ તેમ ખાલી થતું જશે. હવે ખાલી થવા માંડ્યું. પહેલાં એ ગાંઠોને પોષણ મળતું હતું અને વધારે ને વધારે મોટી થતી હતી. એક બાજુ ફૂટતી હતીય ખરી અને વધતી હતીય ખરી. પૂરણેય થતું હતું ને ગલનેય થતું હતું. હવે ગલન એકલું થઈ રહ્યું છે. એટલે આપણે નક્કી કર્યું કે ‘ભાઈ, હવે વાડમાં એકુંય ગાંઠ રહેવા દેવી નથી.’ એટલે જ્ઞાની પુરુષ કહે કે ભઈ, ખોદી કરીને કાઢી નાખો, જ્યાં વેલો દેખાય ત્યાં ગાંઠ છે. અને ગીલોડીનો વેલો દેખાય ત્યાં ગીલોડી છે અને કંકોડીનો દેખાય ત્યાં કંકોડી છે. એને ખોદીને કાઢી નાખો. અને પછી તમે મને કહેવા આવો કે ‘સાહેબ, મેં બધી ગાંઠો કાઢી નાખી, હવે મારે વેલા નહીં થાય ને ?’ ત્યારે અમે કહીએ, ‘ના, હજુ આવતી સાલ જુઓ ! કંઈક ગાંઠ અંદર રહી ગઈ હોય તો ત્રણ વર્ષ સુધી જોવી પડે. બસ, પછી પૂરી થઈ ગઈ. પછી નિર્ગ્રંથ થઈ ગયા !’

અજાગૃતિથી અપાય છે ખોરાક

આ ક્રોધ-માન-માયા-લોભને ત્રણ વર્ષ સુધી જો ખોરાક ના મળે તો એની મેળે જ પછી ભાગી જાય, આપણે કહેવું જ ના પડે. કારણ કે દરેક વસ્તુ પોતપોતાના ખોરાકથી જીવતી રહી છે અને આ જગતના લોકો શું કરે છે ? દરરોજ આ ક્રોધ-માન-માયા-લોભને ખોરાક આપ્યા કરે છે, રોજ જમાડે છે અને પછી એ તગડા થઈને ફર્યા કરે છે.

ક્રોધ-માન-માયા-લોભ બધું જ અજાગૃતિ છે. કોઈ મને પૂછે કે ‘એ અજાગૃતિ કઈ રીતે, એ સમજાવો.’ ત્યારે અમે તેને કહીએ કે ‘તમારે ક્રોધ-માન-માયા-લોભ કાઢવા છે કે નહીં ?’ ત્યારે એ કહે છે કે ‘હા, કાઢવા છે.’ ‘કાઢવા છે’ કહે ત્યાં સુધી એ જાગૃત છે. પણ ક્રોધ-માન-માયા-લોભને ખોરાક આપી દે છે, તે અજાગૃતિ છે. જેને કાઢવાં છે તેને ખોરાક આપે એટલે એ ટકે છે. જો ત્રણ વરસ તેમને ખોરાક ના આપે તો તે ઊભાં ના રહે.

પોતાનો દોષ દેખાય ત્યારે જાણવું કે જાગૃત થયો છે, નહીં તો ઊંઘમાં જ ચાલે છે બધાં. દોષ ખલાસ થયા કે ના થયા તેની બહુ ચિંતા કરવા જેવી નથી, પણ જાગૃતિની મુખ્ય જરૂર છે. જાગૃતિ થયા પછી નવા દોષ ઊભા થાય નહીં ને જૂના દોષ હોય તો તે નીકળ્યા કરે. આપણે એ દોષોને જુઓ કે કેવી કેવી રીતે દોષો થાય છે !

ક્રોધ આવવો, લોભ આવવો, તે અજાગૃતિ છે. જેટલી જેટલી અજાગૃતિ ઓછી થઈ અને જાગૃત થાય તેમ તેમ ક્રોધ-માન-માયા-લોભ ઓછાં થતાં જાય. અજાગૃત એટલે ક્રોધ કર્યા પછી પણ ના પસ્તાય. તે અજાગૃત વધારે છે. ક્રોધ કરીને જે પસ્તાય છે તેને થોડીક જાગૃતિ છે. ક્રોધ કર્યા પછી ખબર પડી જાય અને પછી ધોઈ નાખે એ કંઈક જાગૃતિ કહેવાય. પણ ક્રોધ કર્યા પછી ખબર જ પડતી નથી એ અજાગૃત દશા ! જે જાગૃતિ ક્રોધ નામની નબળાઈ ઊભી કરે, એને જાગૃતિ

(પા.૧૧)

કહેવાય જ કેમ ? ક્યાંય ક્રોધ થાય નહીં, એવું હોવું જોઈએ. જે જાગૃતિ ક્રોધ શમાવે તે જાગૃતિ સારી. ખરી જાગૃતિ તો ક્રોધ થવાનો હોય તેને વાળી લે તે. લોકોને જાગૃતિ હોતી જ નથી.

પુદ્ગલના પક્ષ લઈએ છીએ તે અજાગૃતિ

પ્રશ્નકર્તા : અજાગૃતિને લીધે ફાઈલનો નિકાલ નથી થતો ને ફાઈલ સાથે ક્રોધ થઈ જાય છે.

દાદાશ્રી : એ ક્રોધ તો થાય, મહીં ભરેલો માલ છે. આપણે જાણવું કે ચંદુભાઈને ક્રોધ થાય છે. એ તો મહીં ભરેલો છે ને ! આપણે ચંદુભાઈને કહેવું કે ‘ભઈ, આ શા હારુ કરો છો ?’ પણ આ ભરેલો માલ નીકળી જાય તો સારું. ભરેલો માલ ખાલી થઈ જાય તો ઉકેલ આવી જાય.

ક્રોધ-માન-માયા-લોભ પુદ્ગલના ગુણો છે, આત્મામાં એવા ગુણો છે નહીં. એટલે આપણા ગુણો નથી, તેને આપણે માથે શું કામ લઈએ ? જે વધ-ઘટ થાય ને, એ બધા જ પુદ્ગલના ગુણો. અને જે વધે નહીં, ઘટે નહીં, જાડો નહીં, પાતળો નહીં, ટૂંકો નહીં, લાંબો નહીં, વજનદાર નહીં, હલકો નહીં, એ આત્માના ગુણો. બીજું બધું પુદ્ગલ.

પ્રશ્નકર્તા : દાદાએ ભેદજ્ઞાન આપ્યું, ભિન્ન બનાવ્યા. હું જુદો, દરઅસલ જુદો. પણ પેલો ચંદુભાઈ તો રહે ને ? એ તો રહેવાનો ને, જેટલા હોય એટલા વર્ષ રહેવાનો ને ? ચંદુભાઈનું પુદ્ગલ તો રહેવાનું ને ?

દાદાશ્રી : રહેવાનું ને, એ પુદ્ગલ રહેવાનું. પુદ્ગલ આપણે અર્પણ કર્યું છે. હવે આ પુદ્ગલ છે તે વ્યવસ્થિતને આધીન છે. તે તેના વ્યવસ્થિતને આધીન ફર્યા કરશે, તમારે જોયા કરવાનું. એ પુદ્ગલ શું કરે છે, એ જોયા કરવાનું. આટલો પુરુષાર્થ આપણો.

પ્રશ્નકર્તા : જોયા કરવાનું ને કો’ક દિવસ પુદ્ગલને ચેતવવાનું ખરું કે નહીં ?

દાદાશ્રી : હા, ચેતવવાનું ! પણ ગફલતમાં આવે તો ચેતવવાનું.

પ્રશ્નકર્તા : અરે, હાલતાં ને ચાલતાં ગફલત કરતો હોય છે.

દાદાશ્રી : ના, આ બધું તો ઉદયકર્મ કરાવે છે. આપણે આ ઉઘાડી આંખે ચાલો અને સાવધાનીપૂર્વક ચાલો, બસ એટલું જ. એનો દુરુપયોગ ના થવો જોઈએ. નહીંતર પેલી એની જોવાની જાગૃતિ મંદ થઈ જાય. ‘જુએ’ તો તો એને કશું કરવાનું નથી. જે આજ્ઞામાં રહે તે ‘જોતો’ જ હોય ચંદુભાઈને, તો એને કશી વાત જ કરવાની જરૂર નથી. પણ એ જોતો ના હોય ત્યાં ચેતવવો પડે.

પ્રશ્નકર્તા : જાગૃતિની જે વાત કરી ને, જાગૃતિમાં રહેવાની ને ચેતતા રહેવાની. એનું આ આપણે વિવરણ કરીએ છીએ.

દાદાશ્રી : હા, બરોબર છે. જેને આ જ્ઞાતા-દ્રષ્ટા રહી શકાતું હોય, તેને છે તે આ વાતની જરૂર નથી. અને જેને જાગૃતિ ના રહેતી હોય તો આપણે કહીએ કે ‘હવે ઉઘાડી આંખે ચાલજો, ગાફેલ ના થઈ જાવ.’ નહીં તો વ્યવસ્થિત તો તમને ચલાવવાનું છે પણ ગાફેલપૂર્વક ના હોવું જોઈએ અને જ્ઞાતા-દ્રષ્ટા રહે તેને ગાફેલય નહીં, કશું રહ્યું નહીં. પછી એ આપણા હિસાબમાં જાય છે. ચંદુભાઈ શું કરે છે, એના જ્ઞાતા-દ્રષ્ટા તમે.

પ્રશ્નકર્તા : એટલે દાદા, કોઈ પણ પ્રસંગમાં ચંદુભાઈને જોવાના બદલે હું ચંદુભાઈ જ થઈ જઉં, એટલે ગાફેલ થઈ ગયું કહેવાય ?

દાદાશ્રી : હા, એ ગાફેલ થઈ ગયું કહેવાય.

(પા.૧૨)

કોઈ પણ પ્રસંગમાં આમ ચંદુભાઈને જોવાને બદલે તમે ચંદુભાઈ થઈ ગયા એ ગાફેલ. ત્યારે આપણે શું કહીએ છીએ કે ત્યાં ઉઘાડી આંખે ચાલો.

પ્રશ્નકર્તા : હા, પણ એવું કોઈ વખત થયા પછી આંખ ઉઘડી જાય છે. દાદા ચેતવી દે છે કે આ થઈ ગયું, હવે આને જુઓ.

દાદાશ્રી : હા. એટલે ત્યાં આપણે કહ્યું કે ઉઘાડી આંખે ઊભા રહો. એ આપણે જાગૃતિ રાખવાની. એવું થઈ જાય છે ને ? દાદાને કહેવા આવવું નથી પડતું ને ? વિજ્ઞાન બધું કામ કરી રહ્યું છે. તમને કોઈ જાતની ઉપાધિ નથી. સહજ રીતે કામ થઈ રહ્યું છે. તે ચેતવે હઉ. લોક કહે છે કે આત્માનો અનુભવ થતો નથી. અલ્યા મૂઆ, મહીં ચેતવતા નથી, આખો દહાડો ? હા. ત્યારે એ જ આત્મા, બીજો કોણ આવે ? કોઈ પરદેશી છે, તે મહીં પેસી ગયો છે ?

ક્રોધ-માન-માયા-લોભ ‘અમે’ સ્વરૂપનું જ્ઞાન આપ્યા પછી રહેતા જ નથી. પણ તમારે તેની ઓળખાણ અહીં પાડી લેવી પડે ! કારણ કે જે નિર્મળ આત્મા તમને આપ્યો છે, તે ક્યારેય તન્મયાકાર નથી થતો. છતાં પણ પોતાને સમજણ નહીં પડવાથી પોતાનું વ્યક્તિત્વ છોડવાથી થોડી ડખલ થયે ડખો ઉત્પન્ન થાય છે. ‘જગ્યા’ છોડવાથી જ ડખો થાય. ‘પોતાની જગ્યા’ ના છોડવી જોઈએ. ‘પોતાની જગ્યા’ છોડવાથી નુકસાન કેટલું છે કે ‘પોતાનું સુખ’ અંતરાય છે ને ડખા જેવું લાગે છે. પણ ‘અમે’ આપેલો આત્મા જરાય આઘોપાછો થતો નથી, તે તો તેવો ને તેવો જ રહે છે, પ્રતીતિ રૂપે !

પુરુષ થઈને માંડો પુરુષાર્થ

પ્રશ્નકર્તા : એટલે જ્યારે ‘વ્યવસ્થિત’ને આધીન તન્મયાકાર થાય, ત્યારે એને તન્મયાકાર ના થવા દેવું. હવે આ જુદું રાખવાનું....

દાદાશ્રી : એ જે પ્રક્રિયા છે એ જ પુરુષાર્થ છે.

પ્રશ્નકર્તા : એ જુદું રાખવાનું એ કોણ રાખે ?

દાદાશ્રી : એ આપણે રાખવાનું. કોણે રાખવાનું એટલે ? જે રાખતું હશે એ રાખશે. પણ આપણે નક્કી કરવું કે મારે રાખવું છે. એથી આપણે જો પ્રજ્ઞા હોઈશું તો આ બાજુ કરશે ને અજ્ઞા હોઈશું તો પેલી બાજુ કરીશું. પણ આપણે નક્કી કરવું. આ બાજુ થયું એટલે જાણવું કે પ્રજ્ઞાએ કર્યું અને પેલી બાજુ થયું તો અજ્ઞાએ કર્યું. આપણે તો નક્કી જ કે ‘મારે પુરુષાર્થ જ કરવો છે. હું પુરુષ થયો. દાદાએ મને પુરુષ કર્યો છે. પુરુષ અને પ્રકૃતિ બેઉ જુદા પાડ્યા છે. હું પુરુષ થયો છું. માટે પુરુષાર્થ કરવો છે.’ એવું નક્કી કરવું.

આ તો આખો દહાડો પ્રકૃતિમાં જતું રહે ઘણુંખરું તો, એમ ને એમ વહ્યું જ જાય છે પાણી !

સમજવી, જોવા-જાણવાની ઝીણી વાતો

પ્રશ્નકર્તા : તો પછી અહંકાર ખલાસ કરવાની માથાકૂટ કરવાની જરૂર નથી. એની મેળે જ ક્રમ પ્રમાણે ઉદયમાં આવશે ને એને આપણે જોયા કરવાનું.

દાદાશ્રી : નહીં, આપણે પુરુષાર્થ કરવાનો રહ્યો. ‘કશું કરવા જેવું નથી’ એવું નહીં. ખરો પુરુષાર્થ જ હવે કરવાનો રહ્યો. ‘અહંકાર નુકસાનકર્તા છે’ એવું જાણી લો ને, ત્યારથી બધું કામ સરળ હોય. રક્ષણ કરવા જેવી ચીજ નથી એ. એ અહંકાર પોતે જ રક્ષણ કરી લે એવો છે. આપણે અહંકારને રક્ષણ આપવા-કરવાની જરૂર નથી.

(પા.૧૩)

પ્રશ્નકર્તા : બાવાએ બાવાનું અસ્તિત્વ ખતમ કરવા શું કરવું ?

દાદાશ્રી : અસ્તિત્વ ઉત્પન્ન થાય એવું છે જ નહીં હવે. જો બાવાના પક્ષમાં ના બેસીએ તો બાવાને છોકરા થવાના નથી. કોઈ ગાળ ભાંડે તને, તે ઘડીએ તું ઉપરાણું ના લઉ પોતાનું. એટલે ફરી થવાના જ નહીં.

મંગળદાસનું જો ઉપરાણું લઈએ તો આપણે બાવા જ રહેવાના અને બાવાનું ઉપરાણું લઈએ તો આપણે ફરી મંગળદાસ જ થવાના. એમને એમનો હિસાબ હોય એ મળ્યા કરવાનો, આપણે જોયા કરવાનું. શું બને છે એ જુઓ એ જ આપણો માર્ગ.

પ્રશ્નકર્તા : પણ એ ‘જોયા’ કરવા સિવાય બીજો શો પુરુષાર્થ ?

દાદાશ્રી : એ જોયા કરવાનું, પણ એ જોવાતું નથી એવું. જોવાય એવું સહેલું નથી એ. પુરુષાર્થ કરવાનો આપણે. પુરુષાર્થ કરીએ તો જોવાય.

પ્રશ્નકર્તા : એટલે કેવો પુરુષાર્થ કરવાનો ?

દાદાશ્રી : એ જ પુરુષાર્થ કરવાનો કે આ શું મહીં બળી રહ્યું છે ને કેવી રીતે થઈ રહ્યું છે.

પ્રશ્નકર્તા : એ જોવાનું થયું ને ?

દાદાશ્રી : પણ જોવાનું સહેલું નથી. જોવાય નહીં માણસથી. માણસ જોઈ શકે નહીં. પુરુષાર્થ કરે તો જોવાય. પુરુષ થઈને પુરુષાર્થ કરે તો જ જોવાય, તન્મયાકાર થવા ના દે. આ તો તન્મયાકાર થઈને એને જુએ, એનો અર્થ જ નહીં ને ! ‘મિનિંગલેસ’ (અર્થ વગરની) વાત ને !

પ્રશ્નકર્તા : તો કઈ રીતે જુદું પડીને જોવાનું ?

દાદાશ્રી : પુરુષાર્થ કરીને ! એમાં કંઈ ‘વ્યવસ્થિત’ના આધારે પેલામાં તન્મયાકાર થાય, તો તન્મયાકાર નહીં થવા દેવું અને પોતે પોતાનામાં રહેવું, પેલાને જુદું રાખવું અને તે જુદું જોવું એ પુરુષાર્થ ! હવે એવું જાણવા-જોવાનું તો રહે નહીં ને !

‘મહાત્માઓ’ બોલે એટલું જ કે ‘અમે જોઈએ-જાણીએ છીએ.’ બધાય આપણા મહાત્માઓ બોલે છે કે ‘આપણે તો બધું જોવાનું ને જાણવાનું.’ મેં કહ્યું, ‘બહુ સારું.’ પણ કેમનું જોવા-જાણવાનું તે ? આ તો બધા જ બોલે તોયે હું ‘લેટ ગો’ (જતું) કરું. હું જાણું કે ‘ફર્સ્ટ સ્ટાન્ડર્ડ’ (પહેલા ધોરણવાળો) આવો જ હોય.

પ્રશ્નકર્તા : પણ ઉદય તો ચોવીસેય કલાક રહેવાના જ ને ?

દાદાશ્રી : એ ઉદય જ છે આખો દહાડોય. હા, પછી ઉદયમાં તન્મયાકારપણું તેય છે એની જોડે ને જોડે. અને તન્મયાકાર નથી થવા દેવું એ પુરુષાર્થ, તે પુરુષાર્થેય કામ કરે છે. પણ ઘણી જગ્યાએ એ પુરુષાર્થ ઓછો હોય છે. કેટલુંક તો એમ ને એમ તન્મયાકાર રહ્યા જ કરે છે. ખબર પડ્યા વગર એમ ને એમ જતું રહે છે આખો દહાડોય ! અને પછી કહેશે, ‘આપણે જોયું-જાણ્યું !’ અલ્યા, શું જોયું-જાણ્યું ? એ શાને કહે છે ? આ ભૂતાં જોયા તેં ?

જોવાનું તે શું છે, કે ‘વ્યવસ્થિત’ તન્મયાકાર થવા દેતું હોય, તે જાણવું કે ‘વ્યવસ્થિત’ આ બાજુ લઈ જઈ રહ્યું છે, તેને આપણે આમ ખેંચી લાવવું અને પોતાના ‘એમાં’ રાખીને ત્યાંથી પછી જોવું. શું બળતરા થવા માંડી તે જોવી, એવો કંઈક પુરુષાર્થ હોય. તે પુરુષાર્થ એ પુરુષના આધારે હોય.

આવું કંઈ સહેલું છે ‘જોવું-જાણવું’ ? પણ

(પા.૧૪)

બધાય ‘મહાત્માઓ’ બોલે છે એવું, ‘દાદા, આપણે જોઈએ ને જાણીએ, આખો દહાડો એ જ.’ મેં કહ્યું, ‘બહુ સારું.’ કારણ કે ઝીણી વાત એમને ખબર પડે નહીં, ને મારે માથાકૂટ કરવી પડે. આ તો તમારા લીધે આવી ઝીણી વાત કરું છું, નહીં તો ઝીણી વાત કરાય નહીં.

‘ગમે છે’ ત્યાં તન્મયાકાર

પ્રશ્નકર્તા : જોવા ને જાણવામાં સંઘર્ષ બહુ ચાલે છે. એટલે જે જે સંયોગો ભેગા થાય એમાં તણાઈ જવાય છે.

દાદાશ્રી : એ તણાઈ જાય તો કોણ તણાઈ જાય ? તમે તો શુદ્ધાત્મા. શુદ્ધાત્મા શી રીતે તણાય ? ચંદુભાઈ નામનું પુદ્ગલ તણાય.

પ્રશ્નકર્તા : એ જોવા-જાણવામાં સ્થિરતા રહેવી જોઈએ ને ?

દાદાશ્રી : ના, એ સ્થિરતા રહે નહીં. સ્થિરતા રહે તો ઊલટી ઉપાધિ થઈ પડે. આ સિનેમાની ફિલ્મ સ્થિર થઈ જાય તો શું ‘જોવાનું’ પછી ? એ તો ચાલુ જ રહેવી જોઈએ.

પ્રશ્નકર્તા : નહીં, એ તો ચાલુ રહે, પણ આપણે એની સાથે ચાલુ ન થઈ જઈએ અને આપણે સ્થિર રહીએ એ જ.

દાદાશ્રી : નહીં, આપણે ‘જોયા’ કરીએ. ‘જોનાર’ તો હંમેશાં સ્થિર જ હોય. ‘જોનાર’ તણાય નહીં હંમેશાંય. ‘જોતા’ નથી આપણે એટલે એની મહીં ઊંધો અભ્યાસ થઈ જાય. જ્ઞાયકભાવમાં રહ્યા એટલે પછી કોઈ દહાડો તણાય નહીં અને લાગણીવશ થયો કે તણાયો. લાગણીવશ થાય એટલે સિનેમામાંય તણાઈ જાય લોકો. રડે છે હઉ ! અરે પણ જોવાનું’તું, ત્યાં રડું છું શું કરવા ? જોવાનું હોય ત્યાં રડે મૂઓ ! રડે ખરો ? અને ફિલ્મ તો એક જ પ્રકારની હોય તો જોવાની ગમે ?

પ્રશ્નકર્તા : ના ગમે, દાદા.

દાદાશ્રી : હં. ફિલ્મમાં ઘડીકવારમાં લગ્ન આવે, ઘડીકમાં મારામાર થતી હોય, ઘડીકમાં હરણ કરી જતા હોય, ત્યારે જોવાની ગમે ને ! આખી ફિલ્મમાં લગ્ન ચાલ્યા કરે તો ના ગમે ને ? એટલે બધી આ ફિલ્મ જોવાની છે. જરાય આનંદ ના જાય એ આપણું વિજ્ઞાન !

શક્તિ તો આખી જ છે મહીં, પણ અવ્યક્ત રૂપે રહેલી છે. કેમ અધૂરી રહે છે ? આપણને હજુ આ બધું ગમે છે. છતાં આ જ્ઞાન પછી ઘણું ખરું ઓછું થઈ ગયું ને ? જેમ જેમ ઓછું થશે તેમ તેમ શક્તિઓ વ્યક્ત થશે. ગમે છે એનો અર્થ તિરસ્કાર નથી કરવાનો એનો. પણ એની મહીં તન્મયાકાર થઈ જાય, ભૂલી જાય પોતે, પોતાની શક્તિ ભૂલી જાય એટલે એનો અર્થ ગમે છે કહેવાય. ખાઓ-પીઓ પણ તન્મયાકાર ના થાવ. જુઓ, સિનેમામાં જાવ છો તો કોઈ સારી બઈ કે સારો ભઈ હોય, તો કંઈ ભેટે છે એને ? અને કોઈ કોઈને મારતો હોય તો ત્યાં બૂમ પાડે છે કે એ કેમ મારું છું ? ‘ના મારીશ’ એવું કહે છે કંઈ ? મનમાં સમજે છે કે જોવાનું જ છે આ, બોલવાનું નથી.

કેટલા વર્ષ પહેલા સિનેમા જોવા ગયેલા ? તે દહાડે જોયેલું ખરું ને પણ ? તે કંઈ બોલતા નહોતા ને કે કેમ મારું છું તે ? હં, જોવાનું જ છે ત્યાં આગળ ! એ ફિલ્મ એવું નથી કહેતી કે તમે અમને માથે લઈ જાવ જોડે. ફિલમ તો કહે છે કે જોઈને જાવ. પછી તમે ઊંધું કરો, તેનું ફિલમ શું કરે બિચારી ? પણ પોતે ગુંદર ચોપડીને જાય એટલે પછી શું થાય ? એ ગુંદર ધોઈને જવું પડે. પોતે ગુંદર ચોપડીને જાય એટલે જે હોય તે અડે ને ચોંટે !

(પા.૧૫)

તમારો ‘મોહ’ તમને તન્મયાકાર કરે

લગ્નના, વ્યવહારના પ્રસંગો પતાવવાના છે. તે વ્યવહારથી હુંય પતાવું છું ને વ્યવહારથી તમેય પતાવો છો, પણ તમે તન્મયાકાર થઈને પતાવો છો ને હું એને જુદો રહીને પતાવું છું. એટલે ભૂમિકા ફેરવવાની જરૂર છે, બીજું કશું ફેરવવાની જરૂર નથી. ભગવાન મહાવીરેય થોડોક કાળ સુધી વ્યવહારમાં રહ્યા હતા. જન્મથી જ ‘જ્ઞાની’ હતા એ, છતાંયે વ્યવહારમાં ભઈ જોડે, મા-બાપ જોડે રહ્યા. સ્ત્રી જોડે પણ રહ્યા, દીકરી પણ થઈ. વ્યવહારમાં રહ્યા છતાં તીર્થંકર ગોત્ર પૂરું કર્યું. એટલી શક્તિ તમારામાંય છે પણ એ શક્તિ આવરણમુક્ત થઈ નથી, એ આવરાયેલી પડી છે.

એટલે લગ્નમાં જઈએ-કરીએ, પણ એ એમ નથી કહેતા કે ‘તમે તન્મયાકાર રહો.’ તમારો મોહ તમને તન્મયાકાર કરે છે. નહીં તો તમે તન્મયાકાર ના રહો, તેથી કરીને તમને કોઈ વઢે નહીં કે તમે કેમ તન્મયાકાર નથી રહેતા ! અમે પણ લગ્નમાં જઈએ છીએ, પણ મને કોઈ વઢે નહીં. એ તો જાણે એમ કહે કે તમે મારું કલ્યાણ કરી નાખ્યું ! એ તન્મયાકાર રહો તો કંઈક ભૂલ થઈ જાય, તો લોક તમારી જોડે બૂમાબૂમ કરે.

વ્યવહારનો વાંધો નથી, વ્યવહારમાં એકરૂપ થઈ જવાય છે તે વાંધો છે. એકરૂપ પોતાના સ્વરૂપમાં હોવો જોઈએ અને વ્યવહાર તો ઉપલક છે, સુપરફલ્યુઅસ છે.

એટલે વધુ ઉપકારી કોણ છે ? જે તન્મયાકાર નથી રહેતા, તે સંસારને વધુ ઉપકારી છે. પોતાને ઉપકારી છે અને પરને પણ ઉપકારી છે. તે બધી રીતે ઉપકારી છે. તમને પણ અમે તન્મયાકાર ન રહેવાય એવો રસ્તો કરી આપ્યો છે. પોતાની ભૂમિકામાં રહેવાય, પારકી ભૂમિકામાં ના જવાય એવું આપણું આ જ્ઞાન છે. પારકી ભૂમિકા એટલે ચંદુભાઈ.

તન્મયાકાર ના થાવ એ જ પુરુષાર્થ

તન્મયાકાર કોણ કોણ થાય છે, આંગળી ઊંચી કરો જોઈએ ? સાત-આઠ જ જણ ! ભાઈને તે ઘડીએ શું અનુભવ થાય છે, કહો.

પ્રશ્નકર્તા : તન્મયાકાર થતો નથી પણ તદાકાર થાય છે.

દાદાશ્રી : તદાકાર થાય છે ! તન્મયાકાર થાય એટલે આખો ધોધ પડે. એ તો હવે તદાકાર થાય. એ તો હવે બુદ્ધિ થોડી નીકળી ગઈ. હજુ બુદ્ધિ (વધારે) નીકળ્યા પછી આનંદ ખૂબ વધતો જાય. આ મેં જે આપ્યું છે તે આનંદનું ધામ જ આપેલું છે, મોક્ષ જ આપેલો છે. જે બુદ્ધિ સંસારમાં હેલ્પ (મદદ) કરતી હતી, જ્ઞાન લીધા પછી હવે એ બુદ્ધિ ડખલ કરે છે.

પ્રશ્નકર્તા : આ રિએક્શનરી (પ્રત્યાઘાતી) આનંદ નથી, એનાથી ઊંચો આનંદ થાય છે અહીં.

દાદાશ્રી : ઊંચો એટલે આત્માનું જે મૂળ આનંદ સ્વરૂપ છે, તે આનંદ જ આપ્યો છે તમને ! પણ એમાં જે બુદ્ધિ છે, તે સંસારમાં મોટા બનાવતી હતી, જે બુદ્ધિ આપણને વધુ મોટો ઝંડો દેખાડતી હતી, એ બુદ્ધિ અત્યારે રહી નહીં.

આટલું બધું સુખ ઉત્પન્ન થયું, કેટલી બધી સમાધિ વર્તે છે, છતાં પછી જો કદિ બુદ્ધિ ગાંડાં કાઢે ને, તો આપણે બુદ્ધિને કહીએ, ‘હે બુદ્ધિ, તને તો મૂકી આવીશ આંદામાનના ટાપુમાં.’

તન્મયાકાર થઈ વીલો મૂક્યો આત્માને

પ્રશ્નકર્તા : એટલે હવે તો પ્રકૃતિ શું શું કરે છે એ જોવાનું ને ?

(પા.૧૬)

દાદાશ્રી : એ જોવાનું તો ખરું જ, પણ ઘણી ફેરા તો પોતે પ્રકૃતિમાં જ હોય છે. આખો દા’ડો પ્રકૃતિમાં જ હોય છે. એટલે તે વખતે શું કરવું પડે ? મા છોકરાનું ધ્યાન રાખે, એવી રીતે આત્માનું ધ્યાન રાખવું પડે. એવી રીતે આત્માને વીલો નથી મૂકવાનો.

પચ્ચીસ વર્ષની છોડી હોય, તો અત્યારે એને છોકરો હોય કે ના હોય ?

પ્રશ્નકર્તા : હોય.

દાદાશ્રી : તો પછી એ છોકરાને વીલો મૂકે ?

પ્રશ્નકર્તા : ન મૂકે.

દાદાશ્રી : નહાવા જાય એટલે છૂટો તો મૂકવો પડે, પણ વીલો ના મૂકે. એને ખ્યાલમાં જ હોય કે એ રડતો હશે, એને ટાઢ વાતી હશે કે શું થતું હશે ? એ શું કરતો હશે ? એ આમ કરતો હશે. એવી રીતે આત્મા વીલો મૂકવાનો નથી. કારણ કે આ દુનિયામાં જો વીલો ના મૂકતો હોય તો, એ છોકરી એના છોકરાને વીલો ના મૂકે. નહાતી વખતે, ખાતી વખતે પણ વીલો ના મૂકે. આ છોકરો રડ્યો, એ આમ થયું, એ આઘો થયો, એ પડવાનો થયો.

પ્રશ્નકર્તા : એ તો દાદા, પેલી એના ધણીને સોંપીને ગઈ હોય ને, તોય વીલો ના રાખે.

દાદાશ્રી : તોય એ કહેશે, ‘આ બબૂચક છે. એનું ઠેકાણું નથી !’

પ્રશ્નકર્તા : એનો જીવ ત્યાં છોકરામાં જ હોય.

દાદાશ્રી : એવું જોઈએ ! અમે ક્ષણવાર આત્માને વીલો નથી મૂકવા દીધો. આ જ્ઞાન થતા પહેલા છેલ્લા બે-પાંચ વર્ષમાં વીલો નથી મૂકવા દીધો. તેથી જ મેં છોકરીનો દાખલો આપ્યો કે ‘વીલો મૂકે ?’ પૂછી જોજે કોઈ છોકરીને કે વીલો મૂકે છે ? નહીં તો તમે જાતે છોકરી હો તો કેવું મૂકો તે તપાસ કરો, તો તમને ખબર પડશે કે વીલો ના મૂકે !

પ્રશ્નકર્તા : એ તો કોઈ પણ માતાની ચેષ્ટા જોઈએ તો તરત જ ખબર પડી જાય.

દાદાશ્રી : એવી રીતે આત્માને વીલો મૂકવાનો નથી. ત્યારે એમાં અઘરું શું છે ? પેલી આ કેટલાંય છોકરાં થાય છે, એને વીલા મૂકતી નથી તોય એનું ઈનામ મોટું મળતું નથી. તો આ તો મોટું ઈનામ મળવાનું. આ તો મોક્ષરૂપી ફળ મળવાનું. એટલે એક અવતાર આત્માને વીલો ના મૂકીએ.

પ્રશ્નકર્તા : દાદાજી, આ જે મા પોતાના છોકરાનું ધ્યાન રાખે છે તો એની સુરક્ષાનું ધ્યાન રાખે કે ક્યાંક વાગી ના જાય, ક્યાંક દાઝી ન જાય, ક્યાંક ખોટું કરી ન બેસે, તે આત્મામાં એવું શું ધ્યાન રાખવાનું આપણે ?

દાદાશ્રી : એ આમ ના થાય, આમ ના થાય, એવી રીતે પણ છોકરાનું ધ્યાન રાખે છે ને, એવું આત્માનું ધ્યાન રાખવાનું. આત્માને દાઝી જવાનું તો છે જ નહીં. આત્માનું જ ધ્યાન એટલે આત્માની જાગૃતિ છે એવી રહેવી જોઈએ, ચૂકવું ના જોઈએ કોઈ પણ પ્રયોગમાં.

પ્રશ્નકર્તા : દાદા, પેલામાં તો છોકરાંની વસ્તુ માના લક્ષમાં હોય છે, પણ અહીંયા અમને બધાને એવું લક્ષમાં હોતું નથી, કે આત્મા ક્યાં ચૂકી જવાય છે ? આત્માનું ધ્યાન અમે ક્યાં નથી રાખતા ? ક્યાં સ્લીપ થઈએ છીએ ? તો એ કહો તો ખ્યાલમાં રહે.

દાદાશ્રી : આ છોકરાંનું જેમ ધ્યાન રાખીએ

(પા.૧૭)

છીએ ને, એવી રીતે આ રાખવાની જરૂર છે. આત્માને વીલો ના મૂકવો જોઈએ. અને શાથી એ થઈ જાય છે ? એ તમને બીજા લપકાં ખાવાની ટેવ પડેલી છે એટલે. આ જોઈએ ને તે જોઈએ ને બધી ભૌતિક ઈચ્છાઓ. ઈચ્છાઓ કશી હોવી જ ના જોઈએ ને ? આ બધી ઈચ્છાઓ બંધ થઈ ગઈ, જે આવે તે ખરું, એમ કરીને રહેવું.

પ્રશ્નકર્તા : એટલે બીજામાં તન્મયાકાર થઈએ ત્યારે આત્મા વીલો મૂક્યો કહેવાય ?

દાદાશ્રી : વીલો મૂક્યો જ ને, ત્યારે શું ? પણ બીજી ઈચ્છાઓ એવું હોવું જ ના જોઈએ ને ! જે પ્રાપ્ત થાય એ ભોગવો. મારું કહેવાનું છે કે અહીં બેઠાં બેઠાં આઈસ્ક્રીમ ખાવ ને, હું ક્યાં ના પાડું છું ! પણ પાછું બીજી ને ત્રીજી માંગ માંગ કરે એ ખોટું ! પણ તારા હાથમાં આવેલું છોડે નહીં ને પછી ! અને આત્મા લક્ષમાં રહેતો હોય તો બધી એવી દશ ડીશો ખાવ ને ! પણ આત્મા લક્ષમાં રહેતો નથી ને પછી ડિશો ખાવ એ કેમ પોસાય તે ?

પ્રશ્નકર્તા : દાદા, આ કિંમત નહીં સમજાઈ હોય એટલે ધ્યાન નથી રહેતું ? અત્યારે ધ્યાન કેમ નથી રહેતું ?

દાદાશ્રી : કિંમત સમજાઈ હોય તો પછી આપણે હીરો જ્યાં મૂક્યો હોય, ત્યાં ને ત્યાં ચિત્ત હોય ને આપણું. એ અબજ રૂપિયાનો હીરો આમ આઘોપાછો થઈ ગયો હોય તોય પાછો જોવા આવે અને પાંચસો રૂપિયાનો હોય તો ? એવું કિંમત તમને સમજાઈ છે, પણ આ પહેલાંની આદતો જાય નહીં. પૌદ્ગલિક આદતો ખરી ને !

ફાઈલને નહાવું-ધોવું પડે, કાં તો નોકરી ના કરવી પડે ? નોકરી કરતી વખતેય આત્માને વીલો નહીં મૂકવાનો.

પ્રશ્નકર્તા : એટલે ‘હું શુદ્ધાત્મા છું’ લક્ષ રહેવું જોઈએ ?

દાદાશ્રી : હા, એ ચૂકવું ના જોઈએ. આપણે આ જે નોકરી કરીએ છીએ ને, તો આપણે ‘આત્મા જ છીએ’ એ ભાન ચૂકવું ના જોઈએ. એને વીલો ના મૂકાય.

પ્રશ્નકર્તા : એટલે દાદા પાસેથી આપણે જ્યારે જઈએ, ત્યારે દાદાને છૂટા મૂકીએ છીએ પણ વીલા નથી મૂકતા આપણે.

દાદાશ્રી : હા, એ તો એની મેળે કુદરતી રીતે રહે છે તમને બધાંને. વીલા નથી મૂકતા. એટલું યાદ રહે છે એ ‘રહે છે’ કહેવાય, પેલું રાખવું પડે છે.

પ્રશ્નકર્તા : દાદા પ્રત્યક્ષ છે એટલે યાદ રહે છે, પણ જ્ઞાન આપ્યા પછી ‘હું આત્મા છું’ એ યાદ રહેવું જોઈએ ને ?

દાદાશ્રી : ‘હું શુદ્ધાત્મા છું’ એ તો લક્ષમાં હોય જ. જો નગીનભાઈ હોય તે એ પોતાની જાતને જાણતો જ હોય કે ‘નગીનભાઈ તો છું.’ એટલે કંઈ નગીનભાઈ યાદ રાખવાની જરૂર ના હોય. છે એની યાદગીરી શી ? છે જ.

પ્રશ્નકર્તા : તો પછી આ વીલો મૂકવાનો પ્રશ્ન જ ના આવે ને ?

દાદાશ્રી : હા. પણ આપણે જે નથી એને છે માન્યો’તો અત્યાર સુધી અને છે એને નથી માન્યો’તો, એટલે આ ફેરફાર થવાથી એને હવે આપણે રાખવાનો છે.

પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એ થયો કે પેલો જૂનો અધ્યાસ પાછો વચ્ચે આવે છે ?

દાદાશ્રી : તે એ જ વચ્ચે આવે છે ને ! એને લીધે વીલો મૂકાઈ જાય છે. પાછું આ મલ્ટિપ્લિકેશન

(પા.૧૮)

(ગુણાકાર)વાળું છે. એક દા’ડો જો સાચવીને રાખો, તો બે દા’ડાની શક્તિ ઉત્પન્ન થઈ જાય. બે દા’ડા રાખો તો ચાર દા’ડાની શક્તિ ઉત્પન્ન થાય. એ સાચવીએ નહીં, તો લીક થયા જ કરે ને બધું !

તપમાં બચાવ કરે, એટલે લાંચ લીધી

આપણા મહાત્માઓ લગભગ પાંચ જ ટકા તપ કરે છે. તપ તો કરવું જોઈએ ને ? અત્યારે તમારે સમભાવે નિકાલ કરવો પડે છે, તે ઘડીએ તપ નથી કરતા ?

પ્રશ્નકર્તા : કરવું જ પડે ને, દાદા.

દાદાશ્રી : તે નાના નાના, પણ પછી મોટાં તપ થવાં જોઈએ. આપણો છોકરો મરી જાય, કોઈકે રસ્તામાં દાગીના લૂંટી લીધા એક લાખ રૂપિયાના તોય અસર નહીં, પેટમાં પાણી ના હાલે, તે દાદાનું વિજ્ઞાન ! જો બુદ્ધિના કહ્યા પ્રમાણે કર્યું, તો હતા તેના તે જ થયા ને પાછાં. ત્યાં તપ કરવું. રસ્તામાં લૂંટાયા હોય તો શું કરો તમે ?

પ્રશ્નકર્તા : હાય હાય તો ના કરીએ, પેલું પાછું આવે કે ના આવે, એની બહુ પડી નથી પણ ‘મને લૂંટી ગયો’ એવું તો મનમાં આમ રહ્યા કરે.

દાદાશ્રી : એ આપણને શો ફાયદો કરે ? આપણને હેલ્પ શું કરે એ જોવાનું ને ! એ લૂંટી જતા નથી, એમનું એ લઈ જાય છે. આપણું કોઈ લઈ જાય નહીં.

પ્રશ્નકર્તા : તપ અંદર કેવી રીતે ઊભું થાય ? લૂંટી ગયા પછી મહીં શું કરવું ?

દાદાશ્રી : એ પેલું તપી જાય એટલે તપ સહન ના થાય. એટલે એ પોતે બૂમાબૂમ કરે, એ હઉ તપી જાય. ત્યાં જ્ઞાનથી તપ કરવાનું. તે ઘડીએ હૃદય તપે, સહન થાય નહીં. વિચાર ઉપર વિચાર, વમળો ફૂટે બધું. તે ઘડીએ જોયા જ કરવાનું તપેલું. તે ઘડીએ મન બગડવું ના જોઈએ સામાને માટે. સહેજેય મન બગડે તો તપ જ કેમ કહેવાય ? ગમે તે સ્થિતિમાં સમતા રહે તો એ જ અદીઠ તપ ! બીજું શું ? બધું જ પોતાનું છે, પારકાનું છે નહીં. પારકાનું હોય તો તમારે ભોગવવું પડે એવું બને નહીં. એટલે એમાં પ્યૉર (ચોખ્ખા) રહેવાનું. પ્યૉર થવાનું છે, ઈમ્પ્યૉરિટી ના રહેવી જોઈએ. કચરો બધો નીકળી જાય, દાદાની પાસે તો બધું નીકળી જાય છે. દાદા બધાને ભગવાન બનાવે છે. એ તમે ફેરફાર નહીં જોયેલો ?

આ બહારના તપ તો લોકોને દેખાય અને અંતર તપ તો આપણે એકલા જ જાણીએ. ના ગમતું હોય ત્યાં આગળ સ્થિર થવું. ના ગમતું હોય, છતાંય કોઈને હેરાન ના થાય એવી રીતે શાંતિથી રહેવું. અને લોકો તપ આવે એટલે સામા થઈ જાય, પોતાનો બચાવ કરે. આપણે બચાવ નહીં કરવાનો. બચાવવાનો ભાવ થયો એટલે એ તપનો પૂરેપૂરો લાભ લીધો નહીં. એ લાંચ લીધી આપણે.

પ્રશ્નકર્તા : અદીઠ તપ કરીએ, તો સમભાવે નિકાલ થઈ ગયો કહેવાય ને ?

દાદાશ્રી : બધું નિકાલ થઈ ગયું. એમાં લાંચ લઈએ તો એ જરા બાકી રહી જાય ત્યાં. જેટલા પ્રમાણમાં લાંચ લઈએ એટલા પ્રમાણમાં બાકી રહ્યું. અને નિકાલ કરો એટલે એ ગયા. તે ઘડીએ આત્મા હલકો થયો એટલે આનંદ જ હોય. બહુ તપી જાય પછી શું કરું ? બૂમાબૂમ કરી મેલું ? પેલો કકળાટ કરેલો ? કો’કની દાઝ કો’ક ઉપર કાઢે પછી. જે ફાઈલ હોય તે ફાઈલ રૂબરૂ જ પતાવી દેવાની. બીજી ફાઈલને ને એને કનેક્શન (લેવાદેવા) નહીં, નહીં તો કો’કની દાઝ કોઈની ઉપર કાઢે.

‘પેલા’માંથી જુદો રાખવો ‘આપણે.’ આમ

(પા.૧૯)

તો પોતે જુદો રહે છે, પણ કો’ક કહે, ‘તમે અમારું પાંચ હજારનું નુકસાન કર્યું.’ એવું કહે, તે ઘડીએ ભેગો થઈ જાય. તે ઘડીએ તપ કરવાનું. તે ઘડીએ ધક્કો વાગે કે ‘મેં તો કર્યું નથી.’ શાથી ધક્કો વાગે છે ? મનમાં એમ થાય ને કે આણે મારી પર આરોપ મૂક્યો. એટલે પછી ‘હું શુદ્ધાત્મા’ રહે કે એ રહે ? તે વખતે તપ કરીને પછી ‘હું શુદ્ધાત્મા છું’ રહેવું જોઈએ.

લોન લીધા વિના જૂની રીપે કરવી એ તપ

ભગવાને કયું તપ કહ્યું હતું કે ‘કળિયુગમાં ઘેર બેઠાં આવી પડે, એ તપ કરજે.’ આ મફતમાં તપ આવ્યું. કોણ છોડે ? હમણાં બસમાં બેઠો હતો ને કોઈક ગજવું કાપી ગયો અને આ ગજવામાં પાંચસો હતા ને આમાં અગિયારસો હતા. અગિયારસોવાળું કાપી ગયો, એટલે પછી તરત મહીંથી વૃત્તિઓ બૂમો પાડે, પેલાને આપવાના છે ત્રણસો, પેલાને પાંચસો આપવાના હતા. આપણે સમભાવે નિકાલ કરીએ ને, ત્યારે વૃત્તિઓ શું કહે ? ના, ના. આ શું સમભાવે નિકાલ કરો છો ? ત્યારે તે ઘડીએ આપણે તપ કરવાનું. તે ઘડીએ હૃદય લાલ લાલ થઈ જાય, તેને જોયા કરવાનું. મહીં અકળામણ થાય. એવું આપણે જાણીએ કે આ તપ ઘડીવાર પછી ખલાસ થઈ જશે, પણ હૃદય તપે. અને જગતના લોકોને તપે ને, તે તપે એ સહન ના થાય. એટલે એટેક કરે પેલા ઉપર. તમે એટેક ના કરો ને તપવા દો. એવું બને કે ના બને ? એટેક કરે ને એટલે તપવાનું બંધ થઈ જાય. એટલે નવી લોન લઈ અને જૂની રીપે (ભરપાઈ) કરવી. અને આ તપ એટલે તો નવી લોન લીધા સિવાય જૂની રીપે કરવાની. આકરું પડી જાય, નહીં ? આકરું પડે.

હવે તમારે તપ શું કરવાનું ? ત્યારે કહે, આ જેટલા તપ આંખે દેખાય છે, કાને સંભળાય છે, એ બધા તપ ‘સફળ’ છે. સફળ એટલે ફળવાળા છે, બીજ રૂપે છે. એટલે ફળ આપશે. માટે તારે જો છૂટવું હોય તો ‘સફળ’ તપ નહીં ચાલે, ‘નિષ્ફળ’ તપ જોઈશે. જેનું ફળ આવે નહીં અને તપવું પડે. તે આ બધી જે તપની ક્રિયા ચાલી રહી છે જગતમાં, એમાંથી તો આવતા ભવની પુણ્યૈ બંધાઈ જાય. આ તમે જે જ્ઞાન લીધું એટલે તમારે રહેવું છે તમારા જ્ઞાનમાં જ, પણ કો’ક છે તે આવીને અડપલું કરે, કે ‘તમે સાહેબ, આવું કેમ અમારું બગાડ્યું અને આમ ને તેમ.’ એટલે તમને ગૂંચવાડો તો છે નહીં, આ જ્ઞાનથી. તમે સોલ્યુશન (ઉકેલ) કરી શકો છો, પણ ચંદુભાઈને થોડી ઘણી અસર થાય. એટલે પછી એ પોતાનું જ મહીં હૃદય તપે ચંદુભાઈનું. અને તે વખતે પહેલાં તન્મયાકાર થઈ જતા હતા, તે હવે ન થવું એ તપ. પહેલાં તો સહેજ હૃદય તપ્યું કે તન્મયાકાર. પણ આમાં તન્મયાકાર ન થવું એ તપ. એટલે આ તપ એ જ મોક્ષે લઈ જનારું છે.

પરપરિણતિને જુદી જોવી ત્યાં તપ

(પરપરિણામને) જુદા રહીને ના જુઓ, તન્મયાકાર થાવ તો ચોથો પાયો (તપ) ઊડી જાય. હવે ચોથો પાયો પાકો કરવાનો છે.

આત્મા સિવાય બધું પરપરિણતિ છે અને સ્વપરિણતિમાં રહેવું તે જ જ્ઞાનનું લક્ષણ બધું. વિચાર આવવો તેય પરપરિણામ છે.

મન જે કરે તેને જોયા કરવાનું છે. મન નથી હેય કે ઉપાદેય.

તપ એટલે શું ? મન દેખાડે તેને જોયા કરો તે તપ છે. અને તપ તો મહીં આવ્યા જ કરવાનું. તે ઘડીએ તપવું પડે મહીં થોડીવાર. જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય નહીં, તે ઘડીએ તપ કરવું પડે.

(પા.૨૦)

ભગવાન હોય કે જ્ઞાની હોય તોય જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપ, આ ચાર પાયા સિવાય કોઈ મોક્ષે જઈ શકે નહીં. આ ચાર પાયા હોવા જોઈએ. તે ભગવાન જે તપ કરે, એ તપ ગરમ ના હોય. એ તપ ઠંડું હોય, બાળે નહીં. તપ એટલે બાળવું. ભગવાનનું તપ ઠંડું હોય. એટલે એ તપને જો કદી આ લોકો આવું કહેતા હોય, તો આમની લખવામાં ભૂલ છે. એ તપ શું હોય છે ? જ્ઞાન, એટલે પહેલું ‘હું શું છું’ એ ભાન. પછી દર્શન, એની પ્રતીતિ, કાયમ પ્રતીતિ રહે. પછી ચારિત્ર. ચારિત્ર એટલે તે રૂપે વર્તન થવું. જ્ઞાન-દર્શન છે અને તપ તો, પુદ્ગલ પરિણામને ‘હું કરું છું’ એવું ઉત્પન્ન ન થાય, એટલું જ એમણે જોયા કરવાનું, જાગૃતિ રાખવાની. ઊંઘ ના આવી જાય, એને તપ કહ્યું ભગવાને. એટલે જાગૃતિ ના જવી જોઈએ.

અમારું તપ અમને સંસારમાં ઘડીવાર ના રહેવા દે, એવું તપ હોય. એક ક્ષણવાર સંસારમાં ટકવા ના દે અમને, એ તપ અમારું. તપ એટલે હોમ (આત્મા) ડિપાર્ટમેન્ટમાંથી ફોરેન (અનાત્મા)માં ક્યારેય પણ જાય નહીં. ફોરેનમાં જરાક મોઢું ઘાલ્યું હોય તે પહેલા અંદર બૂમ મારે. એટલે હોમ અને ફોરેન વચ્ચેનો જે સાંધો છે, ત્યાં અમારું તપ ઊભું રહેવાનું. એટલે અમારે પરપરિણતિ એક સેકન્ડ પણ ના થાય.

અમારે પરપરિણતિ ઉલેચવી ના પડે. પરપરિણતિ ઉત્પન્નેય થાય નહીં ને હોયેય નહીં અને આ બધાને પરપરિણતિ ઉલેચવી પડે. પરપરિણતિ થાય નહીં, સ્વપરિણતિમાં જ રહે પણ પરપરિણતિના પરિણામ ઊભા થાય તેને ઉલેચવા, ખસેડવા પડે.

પ્રશ્નકર્તા : દૂર કરવા જ પડે, ધક્કા મારી મારીને બહાર કાઢવા પડે.

દાદાશ્રી : ધક્કા મારી મારીને. કારણ કે આ એક અવતારમાં અનંત અવતારનું સાટું વાળી દેવાનું છે.

સમજણ તપ વખતે

પ્રશ્નકર્તા : તપ વખતે સમજણ કેવી હોવી જોઈએ ?

દાદાશ્રી : મારા હિતનું આ થાય છે. દાદા કહે છે, એ બધું મારું અને દાદા ના કહે છે એ મારું ન્હોય, એવું જુદું પાડી દે મહીં.

પ્રશ્નકર્તા : એટલું બધું સળગતું હોય ને આમ, લાગે કે આ સહન નહીં થાય. તોય પેલું મહીં હોય કે ‘આ હિતનું છે, કામનું છે, આને ઓલવી નથી નાખવાનું’, એવું રહ્યા કરે પછી.

દાદાશ્રી : જ્ઞાન નહીં જલે, જે અજ્ઞાન છે એ ભાગ જલશે. એટલે તારે કાળજી રાખીને સૂઈ જવું. જલવા દેવું, છોને જલી જાય બધુંય. જ્ઞાનનું જલશે નહીં, એની અમે ગેરન્ટી આપીએ છીએ.

અંતર તપ તો ભગવાન બનાવે. અંતર તપ હોય ત્યારે જાણવું કે જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ ચારે પાયા છે, એવું નક્કી થઈ જાય. એકલું જ્ઞાન-દર્શન હોય ત્યારે ચાર પાયા પૂરા ના હોય. માટે પુણ્યશાળી છું કે તારે અંતર તપ ચાલુ રહે છે. એ ઊભું કરવાથી થાય નહીં. આપણે સળી કરીને ઊભું કરીએ તો થાય કંઈ ? હમણે કોઈ આમ કરીને હાથ ઝાલે ને કહે, ‘ક્યાં જાય છે, ચાલ.’ ત્યારે ત્યાં અંતર તપ ઊભું થઈ જાય.

અમારે નિરંતર તપ હોય. તમારું તપ જાડું તપ છે, અમારું તો બહુ સૂક્ષ્મ તપ. પણ આ જાડું બળશે, ત્યાર પછી એ સ્થૂળમાંથી સૂક્ષ્મમાં તપ આવશે, સૂક્ષ્મમાંથી સૂક્ષ્મતર તપ આવશે. ત્યાર પછી એ જે મારું તપ છે, એની પાસે તમારું તપ આવશે.

(પા.૨૧)

એટલે આ જેમ સાંભળશો તેમ તમને સમજણ પડશે. તમારે ક્યાં તપ કરવાનું ? આ તો તપ કરવાનું ત્યાં ઉશ્કેરાટ કરો છો ! બીજાને તપ કરાવડાવો છો ! બીજો તપ કરી લે પછી. સમભાવે નિકાલ કરી લે ને ! અમારે તો રાત-દા’ડો તપ જ. તમે તો તપ જ કર્યા નથી. સૂઈ ગયા એય ઘસઘસાટ, તે સવાર પડે !

એ જો ચંદુભાઈ સામાને વઢે, ત્યારે મનમાં સંતોષ લે કે આપણે એને વઢ્યા છીએ તે બરોબર છે, તો એને તપ રહ્યું નહીં. એ આપણને કંઈ કહે, પણ આપણે એને વઢ્યા એટલે આપણને તે ઘડીએ તપ ના કરવું પડે. એટલે ત્યાં પેલું વઢવાનું નહીં આપણે, એટલે તપ જ થાય ને ! મન અકળાયા જ કરે ને !

મનને ખોરાક આપે તો તપમાં ખંડન

આપણું તપ એટલે કેવું તપ હોવું જોઈએ કે તપવું, મનને તપાવવું. એટલે મનમાં જ્યારે ટાઈમ એ થઈ ગયો ને, મન તપવા માંડ્યું એટલે મનને ખોરાક જોઈએ. તે વખતે તો એને મીઠો લાગે એવો ખોરાક ભેગો કરી આપો, પછી ઘરની કંઈ વસ્તુ યાદ કરીને એને મહીં મનમાં ઘાલી દો કે બીજું ઘાલી દો, તો એ તપ ના કહેવાય. તપ તો તે ઘડીએ આત્મામાં જોડી દઈએ, આત્માનો શુદ્ધ ઉપયોગ કરીએ, તો તપ કહેવાય.

આ છોકરાંઓને હું પૂછું, ‘અલ્યા, મહીં ઉપાધિ-ચિંતા થાય ત્યારે શું કરો ?’ ત્યારે કહે, ‘વખત કાઢી નાખીએ સિનેમા-બિનેમામાં જઈને.’ એટલે વટાઈ ખાય. જ્યારે તપ કરવાનો વખત આવ્યો ત્યારે સિનેમામાં જઈને મોજ કરી આવે. એટલે સોની નોટ બે રૂપિયામાં આપી દીધી. આપણે તો સોની નોટ હજારની થાય એવું કરવું જોઈએ. એટલે એવું થાય તે ઘડીએ એ બધાની અંદર બેઠેલા શુદ્ધાત્મા જોવા. બીજું જોવું, ત્રીજુ જોવું અગર તો આપણા આજુબાજુના સગાવહાલા બધા યાદ કરીને પ્રતિક્રમણ કરવાં. સગાવહાલાના તો બધા ડખા થયેલા જ હોય કે ? તે બધાંના, પાડોશીના ફલાણું જુઓ, ત્રીજું જુઓ, ચોથું ઘર, પાંચમું ઘર, આ બાજુનાં ઘરો. નવરાશમાં બધાના પ્રતિક્રમણ કરીએ એવું બધું ગોઠવી દેવું. બધું સાફ કર્યું કે ચોખ્ખું. તમારે કરવું પડશે, કોઈ કરવા લાગશે નહીં ને ? આમ કંઈ બીજા કરવા લાગે ? ત્યારે વાઈફ કરવા લાગે ? એ એમનું કરે કે તમારું કરે ? એટલે આવું તેવું ગોઠવવું પડે, ત્યારે તપ કહેવાય. તપ એટલે મનને ગમતી વસ્તુ નહીં આપવી, બીજે રસ્તે ચડાવી દેવું. મનને ગમતી વસ્તુ આપી દઉં છું ને ?

પ્રશ્નકર્તા : કો’ક વાર આપી દેવું પડે.

દાદાશ્રી : એ ઠીક છે. કો’ક વાર તો વાંધો નહીં. નહીં તો તપ મળે નહીં ને આવું. તે તમે ત્યાં આગળ હોટલમાં લઈ જઈને મનને આનંદ કરાવો, એ ચાલે નહીં.

ધ્યેય વિરુદ્ધ ત્યાં હોય તપ

તપ થાય તો જ અનુભવ થાય ને, નહીં તો અનુભવ શી રીતે થાય ? જે બાબતમાં આપણું અંતર તપે, એનાથી છૂટા રહેવા ફરીએ. અને અંતર તપે એ બાબતથી આપણને અનુભવ થાય જ.

પ્રશ્નકર્તા : એટલે જે જે બાબતનું તપ ઊભું થાય એ બાબત છૂટી જાય પછી ?

દાદાશ્રી : એ છૂટી જાય ને તે અનુભવ એનો. એ જ આત્માનો અનુભવ, બસ ! સુખ અને પ્રકાશ વધતો જાય, બસ.

પ્રશ્નકર્તા : એ શું ઊભું થાય કે તપ કરવું પડે ?

(પા.૨૨)

દાદાશ્રી : મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકારની વિરુદ્ધ આપણે કરવા ફરીએ, તે ઘડીએ પેલા જોર કરે. તે ઘડીએ આપણે તપ કરવું પડે, બળે તે ઘડીએ.

પ્રશ્નકર્તા : પણ આપણા ધ્યેય પ્રમાણે હોય તો તપ ઊભું ના થાય ને ?

દાદાશ્રી : ત્યાં ના થાય. ધ્યેયના વિરુદ્ધ હોય તો તપ અને તે હોવું જ જોઈએ. એ કાયમને માટે નહીં, પણ તપ હોવું જોઈએ. તપ ના હોય તો પછી પાયા જ ખોટા છે. ચારેય પાયા હોવા જોઈએ.

આ વિષય ગમતો નથી. ધ્યેય નક્કી કર્યો હોય કે મારે હવે તો બ્રહ્મચારી રહેવું છે, એ કોઈ સ્ત્રી જુએ પછી એને તપ ના કરવું પડે ? એ તે વખતે બરોબર સમ્યક્ તપ તપ્યો, જરાય લલચાયો નહીં, તે તરત અનુભવ થાય. તપ એને કહેવાય.

પ્રશ્નકર્તા : એટલે મીઠાશ લાગતી હતી, ત્યાં હવે પોતાનું દર્શન ઊભું થયું કે ‘હું આ ન્હોય’, એટલે પેલું તપ શરૂ થયું ત્યાં. એમાં પાછી મીઠાશ લાગે ને પાછું તપ જતું રહે.

દાદાશ્રી : ના. પછી સહન ના થાય ત્યારે પાછો મીઠાશ ઉપર પેસી જાય. તપ તો નિશ્ચય બળ જોઈએ. એક માણસ છે તે મને કહે છે, ‘લો, અંગૂઠો ધરો જોઈએ.’ મેં કહ્યું, ‘લે, ધર્યો.’ ત્યારે કહે, ‘સિગરેટ ચાપું છું.’ ‘દિવાસળી સળગાવ ને ?’ મેં કહ્યું. તે બે દિવાસળી સળગાવી તે એમ ને એમ ઊભો રહ્યો ! તે શા આધારે તપ તપે ? મહીં અહંકાર. જે થવાનું હોય તે થાય એવી રીતે પેલામાં નિશ્ચય, જે થવું હોય તે થા. ‘અમે હવે તારી જોડે ફસાઈએ નહીં. અનંત અવતાર ફસાયા, હવે ના ફસાઈએ’ એવો નિશ્ચય. અમે હવે ધ્યેયને તોડવા માંગતા નથી. નિશ્ચય ના હોય તો મીઠાશ ખેંચી જાય તરત.

ઊંધું કરે તેની જવાબદારી

ખૂબ પવન ફૂંકાયો ને માણસને ઉડાડી મૂકે, તે આપણો નિશ્ચય હોય તો બેસી જઈએ, પણ એ નિશ્ચય હોય કે નથી ઉડવું, કંઈ જ થવાનું નથી, તો આપણે રહી જઈએ. અને પેલો કહે, ‘હેય ઉડી જવાશે, ઉડી જવાશે’, તે ઉડ્યો હડહડાટ. આકાશમાં ઉડે !

પ્રશ્નકર્તા : પેલામાં પવન ઉડાડે, આમાં કોણ ઉડાડી દે ?

દાદાશ્રી : આય એવો પવન જ વાવાનો ને, આકર્ષણનો પ્રવાહ તે ખેંચાઈ જાય. આકર્ષણ એને ગમતું હતું, એટલે આકર્ષણ થયા કરે. પોતાનો ધ્યેય સાકાર કરવો હોય તો ગમતું છોડી દેવું પડે અને ધ્યેય અદબદ હશે, ત્યાં સુધી કશું વળે નહીં !

પ્રશ્નકર્તા : એ અનંત કાળની ટેવોને લીધે ને ?

દાદાશ્રી : ચંદુભાઈની ટેવો. ત્યારે બીજું શું તે ? આ ટેવો પડી છે, તેની જ આ ભાંજગડ છે ને ! ટેવ ના હોય તો કશું વાંધો જ નથી. પણ જ્યારે હોય ત્યારે ઉપરાણું લે જ, એ પ્રકૃતિને વશ થઈ જાય. ત્યાં આગળ તમે કહેતા હતાં ને, કે મીઠાશ આવે છે. એ તો તપમાં ના પડે, અદીઠ તપમાં ના પડે. ગર્વરસ ચાખે અને મજા કરે અને ઉપરથી અવળું બોલ્યા કરે, ‘અમે શુદ્ધાત્મા જ છીએ. તો અમારે ક્યાં ભાંજગડ છે ?’ એટલે બધાય મહાત્માઓને આવું અમે કહી છૂટીએ. પછી હવે જે ઊંધું કરે તો તેની જવાબદારી છે.

અનંત શક્તિઓ પડેલી છે પણ ચંદુભાઈનું રક્ષણ કરો છો ને, એટલે બધી શક્તિઓ આવરણમાં બેસી રહે છે. રક્ષણ કરો છો ને ચંદુભાઈનું ?

(પા.૨૩)

ઉઘાડે છોગે કરો છો ને ? એટલે જ શક્તિઓ ખીલતી નથી. આ આજ્ઞા પાળીને રહે ને, તો નિરંતર સમાધિ જાય નહીં. તમે તમારી ખુરશી ઉપર અને ચંદુભાઈ એમની ખુરશી ઉપર બેસ્યા કરે. ચંદુભાઈની ખુરશી ઉપર બેસવા જાવ છો, તેની આ ઉપાધિ છે. પહેલાંની ટેવ પડેલી છે તે !

અનંત અવતારનું ભિખારીપણું ટાળો

તપ કરવાની ભાવના થાય છે કોઈને ? આંગળી ઊંચી કરો. આ શૂરવીર દેખાય છે. કંઈ શૂરવીરતા રાખો. આ ફરી ફરી તાલ મળવાનો નથી. ફરી આ દર્શન મળવાના નથી. આ દાદો ફરી ભેગો થવાનો નથી !

પ્રશ્નકર્તા : ‘આવો દાદો હવે પછી ભેટવાનો નથી’, તો એમાં અમારે શું સમજવું ?

દાદાશ્રી : ફરી નહીં મળે એટલે આ મળ્યા છે, તેની પાસેથી જેટલું શીખવું હોય એટલું કામ કાઢી લો. ફરી નહીં શીખવાડે કોઈ આવું એક આંકડોય, કોણ આવો નવરો હોય તે ? કોણ નવરું હોય આવું ? આવું તપ કરાવનારું કોણ હોય તે ?

આ તપની વાતો તો બહુ કાઢીએ નહીં. માણસનું ગજું નહીં. નહીં તો પછી આ કો’ક ફેરો કહીએ ત્યારે. માણસનું ગજું શું આ ! આ તો શાક બગડી ગયું હોય તો આખો દા’ડો કચકચ કર્યા કરે. સમભાવે નિકાલ એટલે શું ? તપ કરવું. સામું ઐશ્વર્ય કેટલું બધું મોટું પ્રગટ થાય છે ! એક મોટું સામ્રાજ્ય મળે છે ! જેટલું આ બાજુ જવા દો છો, એટલું જ સામ્રાજ્ય મળે છે. અને શું જવા દેવાનું છે આ આમાં ? હતું જ નહીં તમારું કંઈ ! હમણાં મરી જશો ટૈડ થઈને, તો ત્યાં મૂકી આવશે સડસડાટ, ચાર નારિયેળ બાંધીને, કોઈ બાપોય પૂછનાર નથી. માટે કામ કાઢી લેજે. આ દેહે કામ કાઢવા જેવી જગ્યા મળી છે, તો આ કામ કાઢી લો ને ! તમારે નથી કાઢવું ? તો ઊભા થઈને બોલો, શૂરાતનમાં બોલો ને, શું આમ બોલો છો ? કાઢવું છે કે નથી કાઢવું ?

પ્રશ્નકર્તા : કામ કાઢવું છે, દાદા.

દાદાશ્રી : હા, તો કામ કાઢી લો હવે. નકામા ટૈડ થઈને મરી જવાનું. કોઈ બાપોય જોવાય ના આવે. અરે, જોઈને આવીને દેહ જોવાનો છે, આત્માને કંઈ જોવાનો છે ? નકામી હાય હાય હાય ! અનંત અવતારથી ભિખારીપણું કર્યું’તું ને, આપણે આપણી દુનિયામાં. જ્ઞાન ના હોય તેને ના કહેવાય, અક્ષરેય ના કહેવાય. એ જ એમનું સર્વસ્વ. આ તો જ્ઞાન છે તેને જ કહેવાય અને તે જ તપ કરી શકે, બીજો કોઈ કરે નહીં ને !

તપની વાત જ આજે નીકળી ને, તે આ તપ પકડી લો એકવાર. તપનો પુરુષાર્થ માંડો. મહાવીર ભગવાને આ તપ કહ્યું છે.

‘પોતા’ પર પક્ષપાત, સ્વસત્તા આવરાય

હજુ તો પોતાની પર પોતાને પક્ષપાત છે, આખોય પક્ષપાત છે. પોતાની પર પક્ષપાત ના રહે તો પોતાની ભૂલ જડે ! પક્ષપાત સમજાયો ? હવે ‘હું ચંદુભાઈ છું’ એ ભાન તો નથી રહેતું, પણ જ્યારે કર્મના ઉદય આવે ત્યારે ‘પોતે’ ઉદય સ્વરૂપ થઈ જાય છે ! અને ઉદય સ્વરૂપ થયો કે જાગૃતિ પર આવરણ આવે ને પોતાની ભૂલ ના દેખાય. પણ સત્સંગમાં આવ આવ કરે, એટલે ભૂમિકા ઢીલી થાય ને ઉપયોગ ખૂંપે. સત્સંગ ઓછો હોય તો ઉપયોગ આવરાયા કરે.

ઘરમાં ચોર પેસે ને, તો મહીં આત્મા છે તો તરત જ સમજાય એવું છે. પણ કેમ નથી સમજાતું ? ‘આપણે ત્યાં તો કશું થાય નહીં’ એવો પક્ષપાત છે, તેથી એ બાજુનું આવરણ છે અને

(પા.૨૪)

તેથી આ બધું જાણવા ના દે. નહીં તો તરત સમજાય એવું છે.

‘કોની વીંટી સરસ છે ?’ પૂછે તો તરત આંગળી ઊંચી કરશે. કારણ કે ‘પોતાની વીંટી સારી છે’ એવો પક્ષપાત છે !

એવો આ પોતા પર પોતાને પક્ષપાત છે, એટલે એ મૂર્ચ્છિત કર્યા વગર રહે નહીં. અને એની પોતાને ખબર જ ના પડવા દે ને ! ‘હું ચંદુભાઈ છું’ એ ભાન તો અમે તોડી આપ્યું છે ને આપેલો આત્માય પોતાને રહે છે, પણ જ્યારે ઉદયના ફેર (ચક્કર) ચઢે છે ત્યારે ખબર ના પડે કે ‘મારી શી ભૂલ થાય છે ? ક્યાં ભૂલ થાય છે ?’

નર્યું આખુંયે ભૂલનું જ તંત્ર છે ને ! તેને લઈને તો પોતાની સત્તા આવરાયેલી પડી છે. આત્મા તો આપ્યો છે, પણ સત્તા આખીયે આવરાયેલી પડી છે ! તેને લઈને વચનબળ-મનોબળ પણ ખીલતું નથી, નહીં તો વચનબળ તે કેવું ખીલે ! હજી તો વિષય પર પક્ષપાત છે, કપટ પર પક્ષપાત છે, અહંકાર પર પક્ષપાત છે. માટે ઉપયોગ જાગૃતિ રાખો, સત્સંગનો ધક્કો રાખો. તો એ બધી વ્યવહારની ભૂલો દેખાય ને ઉપયોગ બધે ફરે. આ સત્સંગમાં ના આવે તો શું થાય ? ઉપયોગ અટકી જાય. એનું શું કારણ ? પક્ષપાત ! તે પોતાનેય ખબર ના પડે.

નિષ્પક્ષપાતી થતા જડે નિજદોષો

‘સ્વરૂપના જ્ઞાન’ વગર તો ભૂલ દેખાય નહીં. કારણ કે ‘હું જ ચંદુભાઈ ને મારામાં તો કશો વાંધો નથી, હું તો ડાહ્યોડમરો છું’ એમ રહે અને ‘સ્વરૂપના જ્ઞાન’ની પ્રાપ્તિ પછી તમે નિષ્પક્ષપાતી થયા, મન-વચન-કાયા પર તમને પક્ષપાત ના રહ્યો. તેથી પોતાની ભૂલો તમને પોતાને દેખાય. જેને પોતાની ભૂલ જડશે, જેને ક્ષણે ક્ષણે પોતાની ભૂલ દેખાય, જ્યાં જ્યાં (ભૂલ) થાય ત્યાં દેખાય, ના થાય ત્યાં ના દેખાય એ પોતે ‘પરમાત્મા સ્વરૂપ’ થઈ ગયો ! વીર ભગવાન થઈ ગયો ! ‘આ’ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પોતે નિષ્પક્ષપાતી થયો. કારણ કે ‘હું ચંદુભાઈ નથી, હું શુદ્ધાત્મા છું’ એ સમજાય પછી જ નિષ્પક્ષપાતી થવાય. કોઈનો સહેજેય દોષ દેખાય નહીં અને પોતાના બધા જ દોષો દેખાય ત્યારે પોતાનું કામ પૂરું થયું કહેવાય. પહેલાં તો ‘હું જ છું’ એમ રહેતું, તેથી નિષ્પક્ષપાતી નહોતા થયા. હવે નિષ્પક્ષપાતી થયા એટલે પોતાના બધા જ દોષો દેખાવાનું શરૂ થાય અને ઉપયોગ અંદર તરફ જ હોય, એટલે બીજાના દોષો ના દેખાય ! પોતાના દોષ દેખાવા માંડ્યા એટલે ‘આ’ ‘જ્ઞાન’ પરિણમવાનું શરૂ થઈ જાય. પોતાના દોષ દેખાવા માંડ્યા એટલે બીજાના દોષ ના દેખાય. આ નિર્દોષ જગતમાં કોઈ દોષિત છે જ નહીં, ત્યાં દોષ કોને અપાય ? દોષ છે ત્યાં સુધી દોષ એ અહંકાર ભાગ છે ને એ ભાગ ધોવાશે નહીં, ત્યાં સુધી બધા દોષ નીકળશે નહીં, ત્યાં સુધી અહંકાર નિર્મૂળ નહીં થાય. અહંકાર નિર્મૂળ થાય ત્યાં સુધી દોષો ધોવાના છે.

અજ્ઞાનીને આપણે એમ કહીએ, ‘આવો કેમ દોષ કરો છો ?’ તો ઊલટો કહે, ‘એ તો આ છોકરો સીધો રહે એવો નથી.’ જો પોતાનો દોષ સમજાય નહીં અને પારકાના દોષ જ માલૂમ પડે એ અજ્ઞાનીની નિશાની. એ નિરંતર બંધાયા કરે અને એનો માર ખાયા કરે. અને જ્ઞાનીની નિશાની શું ? જ્ઞાનીકૃપા કોણ પ્રાપ્ત કરી ગયો ? તરત જ પોતાના દોષ દેખાય એ જાગૃતિ હોય અને એમાંથી કેમ કરીને છૂટવું એ જ ભાવ નિરંતર રહે.

દોષને સ્વીકારે એ સિન્સિયર

પ્રશ્નકર્તા : હા, સમજણ પડી. દોષ હોય અને દોષ બતાવીએ તો એ દોષને સ્વીકારી અને

(પા.૨૫)

ઢીલો પડે એ સિન્સિયર. એટલે દરેક વખતે, જ્યારે જ્યારે પણ દોષ હોય, ક્યાંય પણ હોય, એને સ્વીકારી લઈએ તો તમે પૂર્ણ સિન્સિયર છો એવું કહેવાય ? કોઈ એકાદ વખત પણ દોષનું ઉપરાણું લીધું તો સિન્સિયર નથી.

દાદાશ્રી : તો નથી.

પ્રશ્નકર્તા : એટલે પોતાનું જ કહેવાનું છે, કે આ દોષ છે મારામાં. પોતાનું જ કહી દેવાનું છે.

દાદાશ્રી : પોતે ઈનસિન્સિયર છે એવું માને તો આગળ વધશે, ઉપરાણું લે છે માટે. ઉપરાણું લીધેલું મંગળીનું?

પ્રશ્નકર્તા : હા, લીધેલું ને !

દાદાશ્રી : તે વખતે આપણે શુદ્ધાત્મા નથી. જો મંગળીનું ઉપરાણું લો છો તો તમે શુદ્ધાત્મા નથી.

પ્રશ્નકર્તા : એટલે મંગળીનું ઉપરાણું બિલકુલ લેવાનું જ નહીં ?

દાદાશ્રી : ના, તો તમે શુદ્ધાત્મા નથી. પછી હું કહું ત્યારે ‘હું શુદ્ધાત્મા છું’ કહે, એ તમે કપટ કરો છો ને ? કપટ નથી કરતા ?

પ્રશ્નકર્તા : હા, હા.

દાદાશ્રી : મને ‘હું શુદ્ધાત્મા છું’ કહો છો અને તમે મંગળી છો નહીં અને છતાં તમે એમાં (મંગળીમાં) જ રહેવા માગો છો.

પ્રશ્નકર્તા : હવે મંગળીમાં રહેવા ના માગતા હોઈએ, તો કઈ રીતે કહેવું ?

દાદાશ્રી : રહેવા માગો જ છો તમે. રહેવા ના માગતા હો તો એ તરત સામો થઈ જાય, કઈ રીતે તમે શુદ્ધાત્મા થયા ? એવું કહેવાય એને, કે મંગળી, હજુ તો તમે આવું કરો છો ?

પ્રશ્નકર્તા : હા, એટલે મંગળીની જોડે એમ કહેવાનું કે આ બધું કરો છો, એમાં શુદ્ધાત્મા શેના થયા એમ ?

દાદાશ્રી : નહીં, હું શુદ્ધાત્મા થયો છું પણ તમે શુદ્ધાત્મા થયા નથી. માટે તમારે આવું બોલાય નહીં, કહીએ. તમે તો કપટ કરો છો. દાદાએ કહ્યું છે એ હું શુદ્ધાત્મા થયો છું, પણ તમે કપટ કરીને ઊલટું મને ધૂળવાળો બનાવો છો.

પ્રશ્નકર્તા : હા, એટલે મંગળીને એવું કહેવાનું ?

દાદાશ્રી : હા, કે મારાથી આ ભૂલ થતી હતી. હવે તમારે ને મારે ફાવશે નહીં. અનુકૂળ નહીં રહે, કહીએ. તમે સુધરો કે બગડો એવું અમારે કહેવાનું નથી. ઉપરાણું ન લેવું તમારે. અમે મોઢે કહી દેશું કે ‘તમે આમ ખોટું કરો છો. શા માટે ઉપરાણું લો છો ?’ થોડું સમજાયું કે ના સમજાયું ?

55">મંગળીનું રક્ષણ કરી, આપે દગો

પ્રશ્નકર્તા : ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું’ કરીને વિધિઓ કરાવી અને રહ્યા મંગળીમાં. એ કેવો કેવો ને કેટલો દોષ કર્યો ? કેટલી ખોટ ખાધી ?

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : હંમેશા વિધિઓ કરાવી, કાયમ વિધિઓ કરાવી કે ‘હું શુદ્ધાત્મા છું.’

દાદાશ્રી : એ શુદ્ધાત્મા બાજુ વળ્યા નહીં. ઉપરાણા બીજી જગ્યાએ (મંગળીના) લીધા.

પ્રશ્નકર્તા : એટલે દાદા, જો હું એમ કહું ‘હું શુદ્ધાત્મા છું’ તો મારે શુદ્ધાત્માનું જ રક્ષણ કરવાનું.

દાદાશ્રી : હા, હવે સાચું.

(પા.૨૬)

પ્રશ્નકર્તા : કારણ કે જો હું શુદ્ધાત્મા છું અને મંગળીનું રક્ષણ કરું છું, તો તો હું ક્યાંયની ન રહી, એ કપટ.

દાદાશ્રી : આ જ બધું કહેવાનું છે, કે જ્યારે-ત્યારે આવું બોલો છો, પણ દગો મને કરો છો કેમ ?

પ્રશ્નકર્તા : હા, અને હું શુદ્ધાત્મા છું, તો પાંચ આજ્ઞા પાળું તો જ એનું રક્ષણ થાય, શુદ્ધાત્માનું.

દાદાશ્રી : તો જ થાય, તો એ સિન્સિયર કહેવાય.

પ્રશ્નકર્તા : હવે બરાબર સમજ પડી ગઈ કે હું જે બોલું છું, એનું જ મારે રક્ષણ કરવાનું છે. જો મને દાદાએ શુદ્ધાત્મા કરી, તો મારે શુદ્ધાત્માનું જ રક્ષણ કરવાનું છે. જો હું મંગળીનું રક્ષણ કરું, તો હું મનેય દગો આપું છું અને દાદાનેય દગો આપું છું.

દાદાશ્રી : હા.. મારે તો, તું પાંચ આજ્ઞા પાળું એ જ સિન્સિયારિટી, આટલું જ કહેવા માગીએ છીએ.

જે પોતાના જ પક્ષને સિન્સિયર નથી, તે બીજા પક્ષનું શું ધોળે ?

સ્વરૂપ લક્ષ વિના ના ખપે કશું

આપણને હવે જ્ઞાનની બહાર બીજું કશું જોઈએ નહીં અને ચંદુને જે પૌદ્ગલિક છે બધો માલ, તે ચંદુના વ્યવસ્થિતમાં જે હો એ ભલે હો. આપણે કશું જોઈએ નહીં. આ જગતમાં કોઈ ચીજ મને ખપતી નથી. પણ મને એટલે કોણ, એવું નક્કી કરીને બોલવું જોઈએ. તે ‘હું શુદ્ધાત્મા છું’ અને ચંદુભાઈને જે ખપે છે તે ભલે હો, મને વાંધો નથી તેનો. અને બીજી ચીજ ખપે છે એ ચંદુભાઈને ખપે છે, અને પછી વધારે હોય જ નહીં ને ! વ્યવસ્થિતમાં જે હોય તે ખરું, ના હોય તો નહીં.કારણ કે એ વ્યવસ્થિત જ છે એક્ઝેક્ટ. એનો વાંધો નથી તમારે. મહીં ચંદુભાઈ વિચાર કરી શકે છે, તે વિચાર કરે તોય વાંધો નહીં રાખવાનો. પણ ‘ખપતી નથી’ એવો જો ભાવ હશે ને, એ સિન્સિયારિટી, તો કોઈ કર્મ ચોંટે એવું નથી. સવારમાં પાંચ વાર બોલ્યા કે ‘આ જગતમાં કોઈ ચીજ મને ખપતી નથી.’ મને એટલે શુદ્ધાત્માને. ‘મને કોઈ ચીજ ખપતી નથી’ એવું પાંચ વખત બોલી અને એને સિન્સિયર રહે, તેને કોઈ કર્મ બંધાતું નથી. ગમે એવું મહીં લોચા વળતા હોય તોયે કોઈ કર્મ બંધાતું નથી, તેની અમે ગેરેન્ટી આપીએ છીએ.

એટલે તમે જો તમારી જાતને સિન્સિયર રહો, તો કોઈ વાંધો ના આવે એવું આ વિજ્ઞાન છે ! કેવળજ્ઞાન સ્વરૂપી વિજ્ઞાન છે. તમે સિન્સિયર રહો એટલે પછી તમને કશું અડતું જ નથી. હવે એમાં કંઈ બહુ અઘરું નથી વસ્તુ. રોજ સવારમાં પાંચ વખત બોલીને સિન્સિયર રહેવાનું.

આપણા આ જ્ઞાનને બાર મહિના સિન્સિયર રહે, એટલે બધી નબળાઈઓ જતી રહે. સિન્સિયર એટલે કોઈ પણ સંજોગોમાં પોતાના ધ્યેયની વિરુદ્ધ ક્યારેય પણ ના ચાલે.

સ્વવેપારમાં રહો ચોક્કસ

પ્રશ્નકર્તા : મહાવીર ભગવાને તો ગૌતમ સ્વામીને કહેલું ‘સમયમ્ ગોયમ્, મા પમાયયે’, એટલે એક સમય પણ પ્રમાદ ના સેવીશ. શું એ એટલું બધું જોખમી હોય છે ?

દાદાશ્રી : જોખમ છે ને ! પારકામાં હાથ ઘાલીએ, એમાં આપણે શું કમાયા ? આપણી

(પા.૨૭)

કમાણી તો બંધ થઈ ને ! પોતાના વેપારમાં જ ચોક્કસ રહેવાનું હોય. લોભિયો હંમેશાં બહુ ચોક્કસ એના વેપારમાં, એવી રીતે શુદ્ધ ઉપયોગનો લોભ રાખવો જોઈએ.

પ્રશ્નકર્તા : પોતાના ઉપયોગનો ?

દાદાશ્રી : હા. લોભિયો એના વેપારમાં બહુ ચોક્કસ એ મેં જોયેલું. અહીં આગળ બેઠા હોય ને, તોય ટાઈમ થાય એટલે અટાવી-પટાવીને નીકળી જાય. એ બહુ પાકો હોય. મને હઉ ખોટું ના લાગે ને ! ઉપરથી એ ‘સાહેબ, આ આખો દહાડો કેડો બધી દુઃખે છે’, ને જાતજાતનું બોલે ને વેપાર ઉપર જતો રહ્યો હોય ને આપણે જાણીએ કે સૂવા ઘેર ગયો. એના લોભના રક્ષણ માટે ગમે તે કરે એ. એવું આના લોભ માટે ગમે તે કરી શકાય.

પ્રશ્નકર્તા : એ ઉપયોગની એક્ઝેક્ટનેસ (ચોક્કસાઈ) એ પકડાય કેવી રીતે ?

દાદાશ્રી : આ મશીનરી રીપેર કરવા જવાનું હોય, તે મશીનરીના તને પાર્ટ યાદ આવે ને એ બધુંય એનું યાદ આવ્યું. તે આમ મહીં ચાલ્યા કરતો હોય ઉપયોગ, તે એની મહીંનું બીજી જગ્યાએ જતું રહે ત્યારે પેલો ઉપયોગ બગડે બધો.

પ્રશ્નકર્તા : પણ ઉપયોગ એક્ઝેક્ટ રહ્યો એ કેવી રીતે પોતાને ખબર પડે ? એવું આમાં શું ?

દાદાશ્રી : ચિત્ત આઘુંપાછું ના થાય એ જોવાનું. અમારું ચિત્ત એ મોરલીની પેઠે બેસી રહ્યું હોય. સાપને મોરલી વાગતી હોય એમ બેસી રહે એ રીતે, એવું રહેવું જોઈએ. ઉપયોગ ખસે નહીં પછી.

સંજોગોનો ભીડો આવે ત્યારે ઉપયોગ ખસેડી નાખે. ક્યાંય જતો રહે પાછો. પછી પાછું મનમાં એમ થાય કે બળ્યું, આ ઉપયોગ ચૂક્યા છીએ. ઉપયોગ ચૂકાય છે. એય પાછો જાણનાર જાણે છે.

પ્રશ્નકર્તા : જાણનાર જાણે છે, એથી પેલો સાંધો ફરી મેળવી શકાય છે ને ?

દાદાશ્રી : હં. ફરી પાછો જોઈન્ટ કરે છે. ઉદયને આધીન મછવો (નાવડું) ફરી જાય પણ પોતાના ધારેલ રસ્તે જ લઈ જાય પાછો. એવું અમુક હોય ને ? ઉદયને આધીન ફરી જાય. પવન એવો હોય ને, તો ફરી જાય !

હવે શુદ્ધાત્માનો ધ્યેય ના ચૂકાય

મોક્ષમાર્ગને બાધક આવ્યું એટલે છોડી દેવાનું અને ચાલો પાછા. એ ધ્યેય પર કહેવાય ને ! ગમે તેવાં કઠણ પ્રસંગોમાં પણ પોતાનો ધ્યેય ચૂકે નહીં એવું હોવું જોઈએ.

તમારે ધ્યેય પ્રમાણે કોઈ દહાડો ચાલે કે ? અવળું નહીં કશું ? એ તો સહજ થઈ ગયેલું, નહીં ?

પ્રશ્નકર્તા : એટલે મહીં ‘હેન્ડલ’ મારવાનું ચાલુ રાખવું પડે.

દાદાશ્રી : ચાલુ રાખવું પડે ? પણ એ મહીંવાળા માને ખરાં ? તરત જ ?

પ્રશ્નકર્તા : તરત જ.

દાદાશ્રી : તરત ? વાર જ નહીં ? એ સારું. જેટલું માને એટલું છૂટા થયાની નિશાની. એટલા આપણે એનાથી છૂટા જ છીએ એ નિશાની. પોતાને લાંચ કશી છે નહીં. લાંચ હોય ત્યારે એ વાત માને નહીં. એની પાસે ‘પોતે’

(પા.૨૮)

લાંચ ખાતો હોય તો એ આપણી વાત માને નહીં પછી. ‘પોતે’ સ્વાદ લઈ આવે, પછી ‘પેલા’ ના માને.

કડવા-મીઠા અહંકારના પદમાંથી તમારે ખસવું છે ને ? પછી એમાં પગ શા માટે રાખો છો ? નક્કી કર્યા પછી બન્ને બાજુ પગ રખાય ? ના રખાય. રિસાવાનું ક્યારે બને ? જ્યારે કોઈકે કડવું પીરસ્યું હોય ત્યારે. આપણે વિધિ વખતે બોલીએ છીએ કે ‘હું શુદ્ધાત્મા છું’, તો પછી શુદ્ધાત્માનું રક્ષણ કરવાનું કે બીજી બાજુનું ? અહંકારને જાતે નિરસ કરવો બહુ કઠિન કામ છે. એથી જો કોઈ નિરસ કરી આપતો હોય તો બહુ સારું. એનાથી અહંકાર નાટકીય રહે અને અંદરનું બહુ સારું ચાલે. આટલું બધું નફાવાળું છે તો અહંકારને નિરસ બનાવવા માટે હસતે મુખે જ શા માટે ના પીએ ? અહંકાર સંપૂર્ણ નિરસ થાય એટલે આત્મા પૂરો. એટલું નક્કી કરો કે અહંકાર નિરસ કરવો જ છે. એટલે એ નિરસ થયા જ કરશે.

પાંચ આજ્ઞાથી આત્માનું રક્ષણ

અમારી આજ્ઞાને સિન્સિયર રહેવું એ તો મોટામાં મોટો ગુણ કહેવાય. અમારી આજ્ઞાથી જે અબુધ થયો તે અમારા જેવો જ થઈ જાય ને ! પણ જ્યાં સુધી આજ્ઞા સેવે છે, ત્યાં સુધી આજ્ઞામાં ફેરફાર ના થવો જોઈએ. તો પછી વાંધો ના આવે. આમ ‘હું શુદ્ધાત્મા, શુદ્ધાત્મા’ તો અહીં બોલો છો અને ભાંજગડ પડે ત્યારે તું ચંદુનું ઉપરાણું લઉં છું. ખરેખર શું છું ?

પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા.

દાદાશ્રી : અને ઉપરાણું કોનું લઉં છું ?

પ્રશ્નકર્તા : ચંદુનું. ચંદુનો પક્ષ લીધો.

દાદાશ્રી : સમજાયું, ઉપરાણું લઈએ કે ના લઈએ ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : સાત વખત ગાડીમાં બેસાડે અને ઉતારે તને, તે ઘડીએ મોઢું ઉતરેલી કઢી જેવું થઈ જાય ! ચેતવું તો પડશે ને ? પછી અમે શું કરીએ ? ચેતવીએ. ભાઈ ચેતો, ચેતો; બિવેર, બિવેર.

પ્રશ્નકર્તા : દાદા, આ બધું સમજવાની ખૂબ જ જરૂર છે.

દાદાશ્રી : એક વાઘરીને રાજા બનાવ્યો હોય અને ગાદી પર બેઠા પછી જો એમ કહે કે ‘હું વાઘરી છું’, તે કેવું કહેવાય ? ‘શુદ્ધાત્મા’નું પદ પામ્યા પછી બીજું હવે આપણને ના હોય. એના માટે તો અહંકાર ધોવડાવવો પડશે. તનતોડ મહેનત કરી નિશ્ચય કરો એટલે ધોવાય જ.

‘હું શુદ્ધાત્મા છું’ બોલો તો છો, તો પછી એવા જ પદમાં રહેવું છે ને ? આવું પદ શાસ્ત્રમાં નથી થયું, એ પદ શી રીતે પ્રાપ્ત થાય ? આ પદ જે મળ્યું છે તમને, એ અજાયબ પદ મળ્યું છે. માટે એવું સાચવજો, કારણ કે આવું પદ દુનિયામાં ઉત્પન્ન થયું જ નથી ક્યાંય !

અરે, આ પદ જે તમને મળ્યું છે ને, તે બધા સાધુઓ, જૈનોને, વૈષ્ણવોને બધાને ભેગા કરે અને તમારું પદ કહે તો એ કહેશે, ‘આવું પદ હોય જ નહીં.’ એ તો સત્યુગમાંય નહોતું. આ તમારું પદ જ કોઈની ધારણામાં ના આવે એવું ગજબ પદ છે, ઊંચું પદ છે !

કરોડો અવતારેય જે વસ્તુ પ્રાપ્ત ના થાય એ તમને સહેજે પ્રાપ્ત થઈ છે ! માટે હવે એનું રક્ષણ કરજો.

જય સચ્ચિદાનંદ