દાદા કરે પોતાની ભૂલોને ‘ઓપન ટુ સ્કાય’ સંપાદકીય પ્રત્યેક માનવી પોતાના જીવનકાળ દરમ્યાન ક્યારેક અણસમજણને લીધેકે સંજોગોના દબાણમાં એવી સ્થિતિમાં સપડાય છે કે સંસાર વ્યવહારમાં ભૂલ કરવી નથી છતાં ભૂલ થાય છે અને ભૂલમાંથી મુક્ત થઈ શકાતું નથી. એવી પરિસ્થિતિમાં દિલના સાચા પુરુષો સતત મૂંઝવણ અનુભવે છે. એવા સંયોગોમાં તેમને ભૂલ ભાંગી જીવન જીવવાની સાચી રાહ જડે, તે અર્થે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાનરૂપી સચોટ હથિયાર તીર્થંકરોએ, જ્ઞાનીઓએ જગતને અર્પ્યું છે. આ સંકલનમાં એમના જ શબ્દોમાં પરમ પૂજ્ય દાદાશ્રીએ એમની ભૂલો ઓપન ટુ સ્કાય કરી છે. તેઓ કહેતા કે ‘જ્ઞાન પહેલા થયેલી અમારી અણસમજણની ભૂલોમાં ચોરીઓ અમારા ઉદયમાં આવેલી. ખેતરોમાં કેરી, બોરા, કોઠા, વરિયાળીની ચોરી, પછી વીંટીની ચોરી. અણસમજણમાં થયેલી ચોરી પણ પાછળથી ખૂબ પસ્તાવા કર્યા ત્યારે ચોખ્ખું થયું.’ એવી જ રીતે જ્ઞાન થતાં પહેલા એમની બુદ્ધિ તેજ એટલે એનો દુરુપયોગ ટીખળ, મશ્કરી કરવા કર્યો. જેનાથી બીજાને દુઃખ અપાયા હતા. તે ઉપરાંત તેમની બુદ્ધિ સળીયાખોર, સળી કરે, તોફાનો માંડે અને લોકોની મસ્તી કરે. સાથે સાથે નાની ઉંમરે બીડી, સિગરેટ, પાના રમવાના કુસંગો પણ ઉદયમાં આવ્યા હતા. આ પ્રસંગો વાંચતા એવું સમજાય છે કે દાદાશ્રીનું જીવન પણ એક સામાન્ય માણસ જેવું જ હતું, પણ અંદર સમજણ અસામાન્ય માણસ જેવી હતી. પરમ પૂજ્ય દાદાશ્રીએ જ્ઞાન પહેલા અને જ્ઞાન પછી થયેલી સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ ભૂલોને ઓળખીને કેવી રીતે પ્રતિક્રમણ કર્યા, એવા પ્રસંગો અત્રે સંકલિત થયા છે. એમણે કરેલ પ્રતિક્રમણનો હાર્દ પકડાય તે માટે આ વર્ષે આપણે ‘પ્રતિક્રમણ’ વિષય પર સળંગ ૩ દાદાવાણીનો ઊંડાણમાં અભ્યાસ કરીશું. જેથી આપણને પ્રતિક્રમણ કરવા માટેની સાચી દ્રષ્ટિ મળે. જુલાઈ-૧૯ દાદા કરે પોતાની ભૂલોને ‘ઓપન ટુ સ્કાય’ ઓગષ્ટ-૧૯ દાદા ખોલે પોતાની ‘ભૂલપોથી’ સપ્ટેમ્બર-૧૯ અહો ! અહો ! એ જાગૃત દાદા ! પ્રસ્તુત અંકમાં દાદાશ્રી મહાત્માઓને સાચી સમજ આપતા કહે છે કે ‘મહાવીર ભગવાનના માર્ગને ક્યારે પામ્યો કહેવાય ? જ્યારે પોતાના રોજ સો-સો દોષો દેખાય, રોજ સો-સો પ્રતિક્રમણ થાય.’ એમનાથી થયેલી ભૂલોને એમણે પ્રતિક્રમણોથી ચોખ્ખી કરી. એવી જ રીતે એમના જીવનમાંથી આપણે શીખીને, આપણે પણ આપણી ભૂલોને ઓળખીને સાચા હૃદયથી એના પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરી એ ભૂલોથી મુક્ત થઈ, મોક્ષમાર્ગનો પુરુષાર્થ આદરીએ એ જ અભ્યર્થના. ~ જય સચ્ચિદાનંદ. દાદા કરે પોતાની ભૂલોને ‘ઓપન ટુ સ્કાય’ ‘સોફ્ટવેર’, પ્રતિક્રમણનું આ અપૂર્વ વાત છે, પૂર્વે સાંભળી ના હોય, વાંચી ના હોય, જાણી ના હોય, તેવી વાતો જાણવાને માટે આ મહેનત છે. આપણે અહીં પ્રતિક્રમણ કરાવવા માટે બેસાડીએ છીએ, તે પછી શું થાય છે ? મહીં બે કલાક પ્રતિક્રમણ કરાવડાવે છે ને, કે ‘નાનપણથી તે અત્યાર સુધી જે જે દોષ થયા હોય, એ બધા યાદ કરી કરીને પ્રતિક્રમણ કરી નાખો, સામાના શુદ્ધાત્માને જોઈને.’ હવે નાની ઉંમરમાં જ્યારથી સમજણ શક્તિની શરૂઆત થાય, ત્યારથી જ પ્રતિક્રમણ કરવા માંડે, તે અત્યાર સુધીનું પ્રતિક્રમણ કરે. આવું પ્રતિક્રમણ કરે એના બધા દોષોનો મોટો મોટો ભાગ આવી જાય. પછી ફરી પાછો પ્રતિક્રમણ કરે. ત્યાર ફરી નાના નાના દોષ પણ આવી જાય. પાછું ફરી પ્રતિક્રમણ કરે તો એથીય નાના દોષો આવી જાય. આમ એ દોષોનો બધો આખો ભાગ જ ખલાસ કરી નાખે. બે કલાકના પ્રતિક્રમણમાં આખી જિંદગીના પાછળના ચોંટેલા દોષોને ધોઈ નાખવા. અને ‘ફરી ક્યારેય એવા દોષો નહીં કરું’ એમ નક્કી કરવું એટલે પ્રત્યાખ્યાન થઈ ગયું. આ તમે પ્રતિક્રમણ કરવા બેસો ને, તે અમૃતના ટપકાં પડ્યા કરે એક બાજુ, અને હલકા થયેલા લાગે. તારે થાય છે કે ભઈ, પ્રતિક્રમણ ? તે હલકા થયેલા લાગે ? તમારે પ્રતિક્રમણ ચાલુ થઈ ગયા છે બહુ ? ધમધોકાર ચાલે છે ? બધાં ખોળી ખોળીને પ્રતિક્રમણ કરી નાખવા. તપાસ કરવા માંડવી. એ બધું યાદ હઉ આવતું જશે. રસ્તો હઉ દેખાશે. આઠ વર્ષ ઉપર કો’કને લાત મારી હોય એ હઉ દેખાશે. તે રસ્તો દેખાશે, લાતેય દેખાશે. યાદ શી રીતે આવ્યું આ બધું ? આમ યાદ કરવા જઈએ તો કશું યાદ ના આવે ને પ્રતિક્રમણ કરવા ગયા કે તરત લિંકવાર (ક્રમવાર) યાદ આવી જાય. જોવાથી ધોવાય દોષો આ અઠ્ઠાવનમાં જ્ઞાન થયેલું ને, ત્યાર પછી દોષો તો મહીં અમુક ભરેલા જ હોય ને, તે દોષો બધા દેખાવા માંડેલા. તે રોજના ત્રણ-ત્રણ હજાર દોષ દેખાતા’તા. પછી બધા જતા રહ્યા. પછી દેખાઈ દેખાઈને બધા જતા રહે. પહેલાં જ્યાં રાગ-દ્વેષ કરેલાં હોય, ત્યાં પ્રતિક્રમણ કરવાં પડશે ને? અને એ ચોખ્ખું કરવામાં જે આનંદ આવે છે એના જેવો કોઈ આનંદ જ નથી બીજો. થઈ ગયા એ તો અજ્ઞાનતામાં થયા, પણ હવે જ્ઞાન થયા પછી આપણે એને ધોઈએ નહીં, એ કપડાં પેટીમાં મૂકી રાખીએ તો ? અમુક જગ્યાએ આ બાકી રહી ગયું. એના પ્રતિક્રમણ કર્યા કરીએ. હા, નહીં તો મનને શું કામ આપવાનું? આ પ્રતિક્રમણ કરે. જ્ઞાન લેતાં પહેલાં જે બધા દોષો થયેલા હોય, તેને જોવાથી એ બધા દોષો ધોવાઈ જાય. હજુ પણ જોઈએ તો ધોવાઈ જાય અને યાદ કરવા જાય તો યાદ એકુંય આવે નહીં. આ જ્ઞાને કરીને દેખાય બધા. આત્મા હાજર થઈને બધું દેખાય, ઠેઠ સુધીનું, આખી લાઈફ (જિંદગી)નું દેખાય. નાનપણના દેખાયા બધા તોફાનો અમને ઠેઠ સુધીનું, નાનપણમાં હતો ત્યાં સુધીનું બધું દેખાયા જ કરે. બધા પર્યાય દેખાય. આવું હતું.... આવું હતું, પછી આવું હતું, સ્કૂલમાં અમે ઘંટ વાગ્યા પછી જતા હતા, એ બધુંય અમને દેખાય. સાહેબ ચિઢાયા કરે, કહેવાય નહીં ને ચિઢાયા કરે. (પા.૫) પ્રશ્નકર્તા : આપ ઘંટ વાગ્યા પછી કેમ જતા હતા ? દાદાશ્રી : એવો રોફ ! મનમાં એવી ખુમારી ! પણ એ પાંસરા ના થયા ત્યારે જ આ દશા ને ! પાંસરો માણસ તો ઘંટ વાગતા પહેલાં જઈને બેસી જાય. પ્રશ્નકર્તા : રોફ મારે એ અવળો રસ્તો કહેવાય ? દાદાશ્રી : આ તો અવળો જ રસ્તો ને ! ઘંટ વાગ્યા પછી ભાઈ આવે, સાહેબ પહેલાં આવ્યા હોય ! અને સાહેબ મોડા આવે તો ચાલે, પણ છોકરાં તો ઘંટ વાગ્યા પહેલાં નિયમથી આવે ને ! પણ આ આડાઈ ! ‘સાહેબ એના મનમાં શું સમજે છે ?’ કહે. લે ! અલ્યા, ભણવા જવું છે કે તારે બાખડી બાંધવી છે ? ત્યારે કહે, ‘ના, બાખડી બાંધવાની પહેલાં.’ બાખડી બાંધવાની કહેવાય એને. તમે ‘બાખડી’ શબ્દ સાંભળેલો? તમે હઉ સાંભળેલો ? ત્યારે સારું. પ્રશ્નકર્તા : તો સાહેબ તમને કશું કહી ના શકે ? દાદાશ્રી : કહેય ખરા, પણ એમનાથી કહેવાય નહીં. એમને ભડક લાગે કે બહાર પથરો મારશે, માથું તોડી નાખે. પ્રશ્નકર્તા : દાદા, તમે આવા તોફાની હતા ? દાદાશ્રી : ખરા, તોફાની ખરા. માલ જ તોફાની બધો, આડો માલ. ‘હું’ પણ રિસાયેલો આમ હું તો નાનપણમાં રિસાતો હતો, થોડું-ઘણું. કો’ક દહાડો રિસાયો હોઈશ, બહુ રિસાયેલો નહીં. તોય મેં સરવૈયું કાઢી જોયું કે રિસાવામાં તદ્દન ખોટ છે, એ વેપાર જ તદ્દન ખોટનો છે. એટલે પછી ક્યારેય પણ રિસાવું નહીં, એવું નક્કી જ કરેલું. કોઈ આપણને ગમે તે કરે તોય રિસાવું નહીં. કારણ કે એ બહુ ખોટવાળી વસ્તુ છે. એટલે મેં તો નાનપણથી રિસાવાનું છોડી દીધેલું. મને થયેલું કે બહુ મોટું નુકસાન છે આ તો. હું રિસાયેલો ખરો, પણ પછી મેં તે દિવસે શું શું ગયું એનો હિસાબ કાઢ્યો, સાંજે હતા તેના તે પાછાં. મનાયા ત્યારે ઊલટું નુકસાન ગયું. તે મેં ખોળી કાઢ્યું. પછી મને મનાવ્યો રોફથી માન આપીને ! પણ સવારનું દૂધેય બધું ગયું ને ! એટલે એક-બે ફેરા નાનપણમાં રિસાઈ જોયેલું. પણ એમાં ખોટ ગયેલી, એટલે ત્યારથી ફરી મેં રિસાવાનું છોડી દીધેલું. આ ખોટ જાય કે ના જાય ? પ્રશ્નકર્તા : જાય. દાદાશ્રી : હવે તો આપણે આત્મા થયા. હવે આપણને આવું ના હોય. તમે કો’ક દહાડો રિસાયેલા કે ? નહીં કે ? કોઈ રિસાય છે ખરું ઘરમાં? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : ત્યારે સારું છે. પ્રશ્નકર્તા : આપે કહ્યું ને, કે અમારું દૂધ ગયું, રિસાયા તેથી. તે કઈ ઉંમરે ? દાદાશ્રી : તે નવ-દસ વર્ષની ઉંમરે. પ્રશ્નકર્તા : પણ દાદા, નવ-દસ વર્ષની ઉંમરે અમેય એવી રીતે દૂધ ગુમાવ્યા હતા. તે અમનેય ખોટ પડે પેલી પેટની, એટલે એમ તો થાય કે આ ખોટ ગઈ. પણ તોય અમે ચાલુ રાખ્યું ને તમે બંધ કેવી રીતે કરી દીધું ? દાદાશ્રી : મારે તો સવારનું દૂધ ને એ બધું ગયું. મેં હિસાબ કાઢ્યો હતો કે આ રિસાયો તેથી આટલી ખોટ ગઈ ! માટે રિસાવું એ નર્યું ખોટવાળું છે. માટે આપણે આ બંધ કરી દો. આડું થવું નહીં. (પા.૬) ત્યારે આ આડાઈ જ કહેવાય ને ! આપણે હઠે ચઢીએ કે ‘મારું દૂધ આટલું ઓછું કેમ ?’ અરે મેલને પૂળો, પી લે ને. ફરી વારકે આપશે. બાને હું શું કહેતો હતો ? ‘મને ને ભાભીને સરખા ગણો છો તમે બા ? ભાભીને અચ્છેર દૂધ, તે મનેય અચ્છેર દૂધ આપો છો ? એમને ઓછું આપો.’ મારે અચ્છેર રહેવા દેવું હતું, મારે વધારવું નહોતું. પણ ભાભીને ઓછું કરો, દોઢ પાશેર કરો. ત્યારે બા મને શું કહે છે ? ‘તારી બા તો અહીં છે. એની બા અહીં નથી ને ! એને ખોટું લાગે બિચારીને. એને દુઃખ થાય. એટલે સરખું આપવું પડે.’ તોય પણ મારે મેળ પડે નહીં. પણ બા મને સમજાવ સમજાવ કરે, થીંગડાં માર માર કરે. એટલે એક ફેરો આડો થયો, તે પછી ખોટ ગઈ. એટલે મેં કહ્યું કે હવે ફરી આડું થવું નથી. નહીં તો બધા ત્યારે કહે, ‘રહેવા દો ત્યારે એને !’ તે પછી એવું જ થાય ને ! ચોરીના કર્યા, પસ્તાવા-ખેદ પ્રશ્નકર્તા :દાદા, આપે એવી કંઈ ભૂલો કરી હતી, જેના ખૂબ પસ્તાવા થયા હોય ? દાદાશ્રી :હું અગિયાર વર્ષનો હતો ને, ત્યારે એક જણ હતો ને, એના ઘેર કેરીઓ હતી. તે એનો બાપ ના જાણે એ રીતે બીજે માળેથી નાખતો’તો અને હું ઝીલતો હતો. તે બધું અત્યારેય દેખાય અમને. પેલો શું કહે કે આપણે કેરીઓ લઈ અને પછી બગીચામાં જઈને ખઈશું. તે તમે ઝીલજો ને હું નાખીશ. એના ઘેર હું બહાર ઊભો હતો ત્યારે પેલાએ નાખી. એવું રોજ કરતો’તો, મા-બાપ હાજર ના હોય ત્યારે. આવું બધું અમને દેખાય. પછી છે તે નાનપણમાં બધા છોકરાં કેરીઓ ખાવા જાય, તે જોડે જોડે અમેય આંબે કેરી ખાવા જતા. તે એક છોકરા પર બીજો ઊભો રહે ને કેરી તોડે. કોઈક વખત તો જરાને માટે હાથ ના પહોંચે તો પેલા પાછા ડરે કૂદકો મારતા. તે પછી પાછળથી એને જરા હિંમત આપીએ ‘માર કૂદકો, કેરી જોઈતી હોય તો કૂદકો માર, નહીં તો ઊતરી જા.’ હિંમત આપીએ, તે પછી કૂદકો મારીને કેરી તોડે ખરો! હવે આંબો કો’કનો ને કેરી આપણે લઈએ, તે ચોરી ના કહેવાય ? આંબો કો’કનો ને કેરી ખાધેલી, તે ચોરી જ કહેવાય ને ! છતાં એ કેરી ત્યાં ખેતરમાં ખાઉ પણ ઘેર કોઈ દહાડોય નહોતો લઈ જતો. હું ખઉં ખરો પણ ઘેર ના લઈ જઉં. ચારિત્ર સારું એટલું જાણું. મારી ભૂમિકામાં ચારિત્ર ઊંચું હતું, છતાં ચોરીઓ કરેલી. પ્રશ્નકર્તા :કેરી સિવાય બીજું શું ચોરીને ખાતા ? દાદાશ્રી :નાનપણમાં અમે ચોરી કરવા ખેતરામાં જતા હતા. ખેતરમાં બોરા, કોઠાં, વરિયાળી થાય ને, તે છોકરાંઓ જોડે જઈને ચોરી લાવતા (કરતા). છોકરાં જતા હોય, તેમની ભેગે ભેગે જઈને ધણીને કહ્યા-કર્યા વગર કાચી-પાકી વરિયાળી પાડીને ખાતા’તા. પ્રશ્નકર્તા :એનું તો નુકસાન થયું ને ! દાદાશ્રી :જબરજસ્ત નુકસાન, કહ્યા-કર્યા વગર એની તો બિચારાની વરિયાળી તોડી નાખી ને ! તે પાછળથી કેટલાય પસ્તાવા કર્યા ત્યારે ચોખ્ખું થયું બળ્યું. તે પાછળ મોટી ઉંમરમાં પસ્તાવા થાય એના કરતા આપણે નાની ઉંમરમાં જ ચોખ્ખા થઈએ, તે શું ખોટું ? ભરેલા મોહે કરાવી વીંટીની ચોરી પ્રશ્નકર્તા :દાદા, આપે પેલું કહ્યું હતું ને વીંટીનું, એ શું હતું ? (પા.૭) દાદાશ્રી :એ તો એક વીંટી ચોરી લીધી’તી, તે હજુય ખટક્યા કરે છે મહીં. મેં વીંટી ચોરેલી તે કેવી રીતે ચોરી’તી, તમે તો નહીં જાણો એ. પણ કરાંઠી ઓળખો, કરાંઠીઓ ? લાકડાં બાળવાની કાઠીઓ, કરાંઠીઓ આવે છે. આ તુવેરની કરાંઠી આવે છે તમે જોયેલી ? કરાંઠી કહે. એટલે એ કરાંઠીના પૂળા હતા. તે એક માણસને ત્યાંથી વેચાતા લીધેલા થોડા પૂળા. તે એને ત્યાં લેવા ગયેલો. તે હું એક મજૂર લઈને દેખાડવા ગયો’તો, પૂળા ગણવા માટે, ફાધરે કહેલું તે પ્રમાણે. પેલો માણસ ઉપરથી નાખે અને હું ગણું. હું ગણું અને નોકરને તેડીને લઈ ગયેલો, તે બાંધીને લઈ જાય. તે પછી પેલાએ નાખતી વખતે પૂળા નાખ્યા. તેમાં એની વીંટી એની આંગળીમાંથી ખસી ગઈ. હવે એ મને ખબર નહોતી કે એની વીંટી ખસી ગઈ એટલે આમ થયું કે ગમે તેમ પણ એના પૂળો નાખવાની સાથે વીંટી નીચે પડી. હવે એની ખસી ગયેલી વીંટી પડી કે કો’કની પહેલાંની પડેલી હતી તે પડી, પણ એક વીંટી નીચે પડી. તે અમારો પેલો માણસ પૂળા લેવા આવ્યો’તો ને, તેને મેં અવળી સાઈડમાં ખસેડ્યો. મેં પેલા નોકરને કહ્યું, ‘તું પેલા પૂળા ગણી લે. પેલા પૂળા બાંધવા માંડ.’ ત્યાર હોરુ મેં એની પર પગ મૂકી દીધો. પ્રશ્નકર્તા :કેટલા વરસની ઉંમર હતી ત્યારે ? દાદાશ્રી :તેર વર્ષનો હતો, તે વખતે અક્કલ ક્યાંથી આવી હોય ? ક્ષત્રિયપુત્ર હતો તોય ચોરીની દાનત ક્યાંથી થઈ ? પણ આ ભરેલો માલ ! મોહ, ભરેલો મોહ ! એટલે પછી મેં છે તે પગ મૂકી દીધો પેલી વીંટી ઉપર, પેલો જોઈ ના જાય તેમ. પછી પેલો માણસ પૂળા બાંધીને ગયો ઘેર અને પછી મેં છે તે વીંટી ધીમે રહીને ગજવામાં મૂકી દીધી. ‘પડી ને જડી, મેં ક્યાં કરી ચોરી ?’ આ જે વીંટી લીધી એ તો બહુ ખરાબ સંસ્કાર, ના શોભે એ. નાનપણમાં મેં માન જોયેલું એ આધારે આ ના શોભે. બે વર્ષનો હતો ત્યારથી તે ઠેઠ અઢાર વર્ષ સુધી મેં માન જોયેલું, તે આધારે આ શોભે ખરું ? જ્યાં જઉ ત્યાં માન, જ્યાં જઉ ત્યાં માન. અપમાન તો જોયેલું જ નહીં. તે આધારે આ શોભે નહીં. આમ પ્રત્યક્ષ ચોરી ના કરીએ. આમ ખાનદાનવાળાના દીકરા એટલે આમ ચોરી કરીને, આમ અડીને કંઈ લઈએ નહીં. કારણ કે એમાં તો અમારી ખાનદાનીની બહારની વાત ! અમારાથી આવું ના થાય એ મોટામાં મોટો અહંકાર હોય. એટલે આમ ચોરી ના કરીએ. અમે ખાનદાન, અમારી આબરૂ જાય. પણ બોલો, આ ચોરી ના કહેવાય ? શું કહેવાય ? પ્રશ્નકર્તા :ચોરી જ કહેવાય. દાદાશ્રી :તો આનો અર્થ શું કર્યો ? તે દહાડેના જ્ઞાને મને એમ કહ્યું કે આને ચોરી ન કહેવાય. મને એમ લાગ્યું કે મને જડી આ. એટલે ચોરી ના કરી કહેવાય એવું મને થયું. નીચે પડી અને તે આપણને જડી. ‘પડી ને જડી,’ એમાં મેં ક્યાં ચોરી ? એવું તે દહાડેના જ્ઞાને મને કહ્યું. તેર વર્ષની ઉંમરે આ બુદ્ધિ નહોતી ત્યારે આ વેશ થયો ને ? પ્રશ્નકર્તા :પણ દાદા, તે એક ઉદય એવો આવી ગયો હોય ને ? દાદાશ્રી :પણ બુદ્ધિ નહોતી ત્યારે આ વેશ થયો ને અને ‘જડી’ એવું માન્યું. સમજણ નહીં ત્યારે જ ને ! (પા.૮) પ્રશ્નકર્તા :પણ એ તો તેર વર્ષે તમને થયું ને ! કો’કને તોંતેર વર્ષેય એવું થાય. દાદાશ્રી :હા, એ તો બધું તોંતેર વર્ષે નહીં, ત્રણ લાખ અવતાર જાય તોય એવું ડેવલપેમન્ટ હોય નહીં ને ! વીંટી વેચી પૈસા વાપરી નાખ્યા પ્રશ્નકર્તા :પછી શું થયું ? દાદાશ્રી :પછી એ વીંટી બે-ત્રણ દહાડા પછી પેટલાદ જઈ અને વટાઈ લાવ્યા અમે. એના ચૌદ રૂપિયા આવ્યા’તા. પોણા તોલાની હશે, મોટી-જાડી વીંટી. પણ દાનત ચોર કેટલી બધી કહેવાય ? પ્રશ્નકર્તા :વીસ રૂપિયા તોલો સોનું હતું ને ત્યારે ? દાદાશ્રી :બાવીસ-ત્રેવીસ રૂપિયા. એ દાનત કેટલી સારી દાનત કહેવાય એ ? પ્રશ્નકર્તા :ન કહેવાય. પણ પછી શું કર્યું એ રૂપિયાનું, દાદા ? દાદાશ્રી :એ રૂપિયા વાપર્યા પરચૂરણ ખર્ચમાં, અને આ છોકરાંઓ જોડે રમતમાં વપરાઈ ગયા. એ મોહ મહીં જે જથ્થો ભેગો થયો’તો, તે વાપર્યા. કુસંગ ભઈબંધોનો મળેલો ને ! કુસંગ હોય તો જ આવી બધી રીત આવડે, નહીં તો ન આવડે. અમને ખટકે હજુય આ દોષો પ્રશ્નકર્તા :પછી પૈસા પાછા આપવા ગયેલા ને તમે ? દાદાશ્રી :હા, પછી એના માલિકને એક ફેરો પૂછવા ગયો, તો કોઈ જડ્યું નહીં. દસ વરસ પર ગયો’તો ત્યાં આગળ. મેં કહ્યું, ‘આ ઘરમાં ફલાણા ભઈ રહેતા’તા તે ?’ ત્યારે કહે, ‘તે તો નથી, એ તો મરી ગયા.’ એ પછી ઠેકાણું પડ્યું નહીં. નહીં તો મારો વિચાર હતો કે એને દસ ગણા પૈસા આપીશ કે વીસ ગણા પૈસા આપીશ. એ કહે કે સો ગણા આપો તો સો ગણા, પાંચસો ગણા કહે તો પાંચસો ગણા આપું. ચૌદ પચા સિત્તેર, સાત હજાર રૂપિયા આપું એને. પણ હતો જ નહીં. તપાસ કરવા ગયો તો કોઈ બાપ કે દીકરો મળે જ નહીં ! મેં કહ્યું, હવે શું કરું ? બીજે ધર્માદા કરો. તે કંઈ એને લાગતું-વળગતું નથી. પણ આ તો બધું આવો વેશ કર્યો તેય ખૂંચ્યા કરે પછી. આ છે તે કેવું કર્મ પછી ખબર પડી, પણ એ હજુય ખટક્યા કરે છે. પ્રશ્નકર્તા :જ્યારે યાદ આવે ત્યારે ? દાદાશ્રી :કાયમ ખૂંચ્યા કરે. યાદ તો હોય જ ને અમને નિરંતર ! યાદ આવવાનું ન હોય. યાદ એટલે યાદ, તે મને દેખાયા કરે નિરંતર. નાનપણમાં મેં એક પોણા બે રૂપિયાની ચીજ ચોરેલી, તે હજુય મને યાદ છે. ત્યાર પછી આખી જિંદગી ચોરી નથી કરી. પણ તે કોઈ કર્મના ઉદયથી હજુ મને ખ્યાલ રહ્યા કરે છે અને મનમાં થાય કે એને બસ્સે-પાંચસે રૂપિયા મોકલાવા જોઈએ, એ માણસને. અમારા તરફથી કુદરતને સોંપ્યું પ્રશ્નકર્તા :દાદા, તમે કહેવા ગયા તો પેલા ભાઈ મરી ગયેલા ? દાદાશ્રી :શું થાય, એ તાલ ખાધો નહીં કંઈ ! પ્રશ્નકર્તા :તો હવે એ ન મળે તો એનું શું ફળ ? તો એનું પરિણામ શું એમ ? દાદાશ્રી :એ તો કંઈ નહીં. એ તો આપણે વહેતું મૂકી દેવાનું. અમે કહી દીધેલું, જે એમનું (પા.૯) હોય તે યોગ્ય અમારા તરફથી એને મળી જાઓ. અમે એવું નક્કી જ કરી નાખેલું કે જેનું જેનું હોય એ અમારા તરફથી યોગ્ય એમને પ્રાપ્ત થાઓ. એટલે કુદરતને સોંપી દીધેલું. ધંધામાં અજાણતા થયેલ ચોરી અમારે કોન્ટ્રાક્ટનો ધંધોને, તે સિમેન્ટ ચોરી લઈએ. સરકારે વીસ થેલી વાપરવાની કહેલી હોય તેમાં સોળ વાપરીએ. તેમાં ચાર બચે તે પેલા સાહેબને બે આપીએ ને બે અમે લઈએ. ચોરી કહેવાય કે બહારવટિયું કહેવાય આ ? પ્રશ્નકર્તા : બેમાંથી જે કહેવું હોય તે. દાદાશ્રી : તમે કરેલું નહીં આવું કશું ? પ્રશ્નકર્તા : નહીં. થઈ જતું હોય તો ખબર નથી, બાકી જાણી-જોઈને તો નથી કરતા. દાદાશ્રી : બધી ચોરીઓ જ કરી છે, આખી જિંદગી ચોરી જ કરી છે. પોતાને સમજણ નહીં પડવાથી એવું માને પણ આખી જિંદગી ચોરી જ કરી છે. પેલા સ્થૂળ ચોરી કરે અને આ પકડાય નહીં એવી. પોલીસવાળો પકડે નહીં આને. સરકારેય પકડે નહીં. પ્રશ્નકર્તા : પકડાય નહીં એવી ને બધાની સેફ્ટી રહે એવી ચોરી થાય. દાદાશ્રી : હા, એવી આ ચોરીઓ બધી. વિચારપૂર્વકની ચોરી. કેવી ? પેલી અવિચારું ચોરી. તમે કોઈ દહાડો ચોરી-બોરી કરેલી ? પ્રશ્નકર્તા : દાદા, ચોરી થઈ જાય પણ ખબર જ નથી પડી કે આ ચોરી થઈ છે. આ ચોરી થઈ છે એવો ખ્યાલ જ નથી આવ્યો. દાદાશ્રી : ના આવે. આવે જ નહીં ને ! હું જે બાંકડા ઉપર બેસું છું ને, તે બાંકડા ઉપરેય લોકોને કહું કે ‘ભાઈ, આ બાંકડોય ચોરી લાવ્યો હતો.’ તો કહે, ‘તમારાથી આવું બોલાતું હશે ? તમે તો કંઈ ચોર હોતા હશો ?’ અલ્યા ભઈ, તું સાંભળ તો ખરો, વાત તો સાંભળ, આ બાંકડો શી રીતે ચોરી લાવ્યો તે તને કહું. અમારો કોન્ટ્રાક્ટનો ધંધો, તે એક સરકારી મકાનને પીઢીયા હતા મલબારીના, તે સાહેબ કહે છે, ‘અમારે આ પીઢીયાને બદલે સ્લેબ નાખવો છે, તો પીઢીયા કાઢી નાખજો.’ તે કાઢી નાખ્યા ત્યારે કહે છે કે પીઢીયા બહુ સરસ છે. માટે એક-બે પીઢીયા મને મોકલી આપજો અને એક-બે પીઢીયા તમે લેજો ને બીજા બધા ત્યાં સ્ટોરમાં મોકલજો. તે એ બે પીઢીયા હતા તેને આમ વહેરાવી વહેરાવીને બાંકડો બનાવ્યો. ત્યાં વહેરણીયા પાસે નહીં, અહીં સુથાર વહેરી વહેરીને બનાવ બનાવ કરે. તે ઓગણીસો તેતાલીસની સાલમાં બેંતાળીસ રૂપિયા મજૂરી આપી. બજારમાં વેચાતો લેવા જાવ તો પિસ્તાળીસ (રૂપિયા)માં મળે ! તે બેંતાળીસ (રૂપિયા)મજૂરી આપી મેં કહ્યું, ‘હાય હાય, આ ચોરી કરી ! અને જો આવ્યા ઠેરના ઠેર !’ એટલે આવું ને આવું બધું ચોરીઓ કરી. મનમાં એમ માની બેસે કે આ સરખું થઈ ગયું, કમાઈ ગયા. પણ ચોરીઓનું બધું આ ! આ ભાઈ કહે છે ને, ‘મેં ચોરી નથી કરી, તો હું શી રીતે કહું ?’ ખ્યાલ જ ના હોય ને, શેને ચોરી કહેવાય ! મને તો આ ચોરી ને બધું દેખાય ને તરત અને આ બધી વસ્તું સાચી જ નથી લાગતી મને. સબ ચોરી કા બજાર હૈ. ના સંકોચ પોતાના દોષ ખુલ્લા કરવામાં આ દુનિયામાં ‘હું ખોટો છું’ એવું કોણ બોલે ? જે તદ્દન સાચો હોય તે જ બોલે. બાકી તો બધું અંડરગ્રાઉન્ડ (છાનું), ઢાંકેલું જ રાખે. આપણે પૂછીએ કે ‘સાહેબ, કોઈ દહાડો મનથીય ચોરેલું ?’ ત્યારે કહે, ‘ના, બા, એવું કશું નહીં.’ અને અમે કહી દઈએ કે ‘આ અમે બેઠેલા છીએ (પા.૧૦) ને, તે બાંકડો ચોરીને લાવેલા.’ શા હારુ અમે કહીએ? ત્યારે તમને હિંમત આવે, તમે બીજા લોકોને કહો કે ‘મેં આ ચોરેલું છે.’ એમ ખુલ્લું કરતા ફાવે ને! હૃદય ખુલ્લું થઈ જાય, હલકું થઈ જાય. કોઈ કબૂલે જ નહીં ને ! શાથી કબૂલતા નહીં હોય ? આ જરા મુઠ્ઠીમાં હશે તે ખુલ્લી થઈ જાય, બહાર પડી જાય. ત્યારે છે જ ક્યાં તે ? દેખાડે તો ખરો, આ મુઠ્ઠીમાં શું છે તે ? ‘ઉઘાડી થઈ જાય’ કહે, તે શું છે મુઠ્ઠીમાં ? મોટા આવ્યા ! પ્રશ્નકર્તા : દાદા, તમે કહો છો કે મુઠ્ઠીમાં કશું નથી પણ લોકો તો એમ જ માને છે કે આમાં જ છે બધું. દાદાશ્રી : બીજો કોઈ બાપોય માનતો નથી. મનમાં માની રાખ્યું એટલું જ. કોઈ પૂછે ? ખોટું પોલંપોલ ચાલતું હશે ? તેથી અમે કહીએ કે ‘આ બાંકડો ચોરીને લાવ્યા છીએ.’ શા હારુ ? તમને હિંમત આવે એટલા હારુ. એ કહે કે દાદા બોલે તો આપણે આવું બોલો. એમ કરતા કરતા રાગે પડી જાય બધું. પોતાના દોષ બોલવામાં, કહેવામાં વાંધો શું ? ઓપન ટુ સ્કાય (ખુલ્લા) કરી નાખો ને ! વાંધો શો છે ? ઝટ વેચાઈ જાય ને, માલ આપણે ? વેચી દેવો છે તે હવે એને પાછા સ્ટૉકમાં દબાય દબાય કરીએ. એ દબાવવાનું તે ક્યાં સુધી દબાવવાનું? ઑન ઑક્શન (હરાજી) કરીએ ત્યારે તે શું થાય ? કંઈ સુધી રાખી મેલવું આપણે? એક ફેરો વેચી દીધું એટલે નિવેડો આવ્યો. વેચવો ના જોઈએ? પ્રશ્નકર્તા : વેચવો જોઈએ. દાદાશ્રી : જ્યારે ત્યારે તો આ માલ દુકાનમાંથી કાઢી નાખવો જ પડશે ને, દુકાન ખાલી કરવા માંડી એટલે! એટલે ઊંચું મેલી દેવાનું. હવે આપણા હાથમાં લગામ આવી ગઈ. એટલે હવે વાંધો નહીં. તમારે જે લેવું હોય તે લઈ જાવ, કહીએ હવે. દોરો આપણા હાથમાં આવી ગયો. ગુલાંટ ખાશે તો ખેંચીશું, તરત રાગે પડી જાય અને દોરો ન્હોતો ત્યાં સુધી ગુલાંટ ખાય તો ? બૂમાબૂમ કરીએ કશું વળે ? આ અમે પણ ચોરીમાં ફસાયા પ્રશ્નકર્તા : ધંધામાં જે ચોરી કરે એનું શું કરવાનું ? દાદાશ્રી : એ બધી ચોરીઓ અમે તો બહુ કરેલી બળી ! પણ માફી માગી લેવાની. પ્રશ્નકર્તા : અત્યારના ધંધા ચાલતા હોય... દાદાશ્રી : આપણે સંભારી સંભારી યાદ કરીને માફી માગી લેવાની. માફી માગવાથી આપણું કર્મ તો ઊડી ના જાય પણ અહીં આગળ છે તે ઘોડાગાંઠ પડી ગયેલી હોય, તે આમ માફી માગવાથી સાવ ઢીલી થઈ જાય. આમ આવતે ભવ હાથ અડાડીએ, તે પડી જાય. એટલે ખાસ બહુ પજવે નહીં પછી. માફી માગીએ એટલે ચૌદ આની નાશ થાય છે, બે આની બાકી રહે છે. એટલો નાશ તો કરવો જ જોઈએ ને, આપણાથી થયેલ ગુનો ? અને થઈ જાય છે પણ તે અજાણથી થઈ જાય છે,જાણીને નથી થતો. પ્રશ્નકર્તા : એ ઈન્કમટેક્ષ (આવક કર)ની ચોરી કરી છે, બીજી ચોરી નથી કરી. દાદાશ્રી : ઈન્કમટેક્ષનીય ચોરી કરવી એ ગુનો છે. કારણ કે એ ટેક્ષ ને આ, ગવર્મેન્ટ તેને લીધે તમારું સચવાય છે. કુદરત શું કહે છે કે તું ચોરીઓ કરીશ તો હું ચોરી કરીશ. નહીં તો તારા નવ હજાર તને મળવાના છે તે બાર મહિને તે નવ મળશે, તે નવના નવ આવવાના છે. એક-બે વર્ષ જરા મુશ્કેલી પડે, ન્યાયી બનતા. પણ પેઢી (પા.૧૧) ફર્સ્ટ કલાસ ચાલ્યા કરે. એટલે ન્યાયથી, નીતિથી ધંધો કરવાનો. શું કહ્યું ? પ્રશ્નકર્તા : ન્યાયથી ને નીતિથી કરવો. દાદાશ્રી : સામો અનીતિ કરે તોય આપણે નીતિ નહીં છોડવાની. આ મેંય ચોરીઓ કરતા કરતા ૧૯૫૧માં બંધ કરી’તી. જો જન્મથી જ્ઞાની પુરુષ જેવો હતો તો પણ આ ચોરીઓમાં ફસાયો ને ! પછી પસ્તાવા કરી કરીને દમ નીકળી ગયો, એકાવનથી અત્યાર સુધી. ત્રીસ-પાંત્રીસ વર્ષ પસ્તાવા કર્યા. પહેલા સરકાર ના પકડે એવી ચોરીઓ કરતાં, એ આપણે છોડી દીધી કે સરકારમાં પકડાઈ જશે, આબરૂ જશે અને બીજી તમામ પ્રકારની બધી ચોરીઓ માથે લીધી... ફાધરને છેતર્યા, કર્યા ખૂબ પ્રતિક્રમણ અમારા ફાધરને એક જ્યોતિષીએ કહેલું કે ‘આ તમારા ઘેર મોટું રત્ન પાકેલું છે. એને સંસ્કારમાં જરાક કચાશ ના પડે એ જોતા રહેજો.’ હવે ફાધર તે કેટલુંક જુએ ? હું એમને છેતરું તો એ કેટલુંક જુએ? હું સિનેમા-નાટક જોવા જઉં, ભાદરણમાં. તે જોવા જઉં પછી એ, તે ફાધર જાણે કે એ સૂઈ ગયો છે. તે સૂઈ જઉં, પછી ઊઠીને બારી પર ચઢીને ઊતરું. તે બા એકલા જાણે. બા મને કહે, ‘ભઈ, તું પડી જઈશ. આવું ના કરીશ.’ મેં કહ્યું, ‘ના, મને વઢશે એ. હું તો આવું જ કરવાનો.’ આવા બધા તોફાન બહુ કરેલા. ફાધરને છેતરેલા, બાને નહીં છેતરેલા. બા એકલાને જે જે કરું, તે કહી દઉં. અને ફાધર તો વઢશે એવો મને ડર લાગે. એટલે કહી દઉં કે ‘હું ગયો જ નથી ને રાતે સૂઈ ગયો હતો.’ છતાંય નાટક જોઈ આવ્યો હોઉં. પાછા લોકો એમને કહે, ‘તમારો દીકરો તો નાટક જોવા આવે છે.’ એટલે પાછા કહે, ‘તું ક્યારે ગયો હતો? ઊઠ્યો ક્યારે તું ?’ મેં કહ્યું, ‘એ તો થોડીવાર જઈને પછી પાછો આવતો રહ્યો હતો.’ એટલે આ બધાના પ્રતિક્રમણ કર કર કરેલા. ઘરમાં મેં શું શું કર્યું, આમ શું શું કર્યું ? ફાધરની જોડે શું દગો કર્યો ? એ કહે, ‘નાટક આવ્યું છે, તારે જોવા જવાની જરૂર નથી.’ ત્યારે કહું, ‘હા, નહીં જઉં.’ અને નાટક જોઈ આવીને બાને ખાનગીમાં કહી રાખ્યું હોય, કે ‘હું આવું ત્યારે બારણું જરા ઉઘાડું રાખજો.’ એટલે બા બારણું ઉઘાડું રાખે. તે હું પેસી જઉં હડહડાટ. એ બધા ગુના જ કર્યા ને ! કુસંગના રવાડે ચઢ્યા ભાઈબંધો સંગે પ્રશ્નકર્તા :દાદા, ખરાબ આદતો ખરી નાનપણમાં ? દાદાશ્રી :હા, અમને પંદર વર્ષની ઉંમરે કુસંગમાં બીડી પીવાની ટેવ પડી ગઈ. એને સત્સંગ કહો કે કુસંગ કહો. અગર હું કુસંગી ને પેલાને કુસંગી કરાવ્યો હોય. એવું કુસંગને રવાડે ચઢેલા. તે બીડીઓ, સિગરેટ, હુક્કા પીએ તનતાન (તનતનાટ). બધા ભાઈબંધો પીતા. હજુય મને દેખાય, તે ભાઈબંધને ત્યાં લગ્નનો પ્રસંગ. તે લગ્નનો છે તે માંડવો બાંધેલો. તે બૈરાંઓ માંડવાની નીચે, મોટી કડાઈ મૂકીને ઢેબરા તળે. એની ઉપરનો જે માંડવો ખરો ને, એ બાંધેલું. એની જોડેની રૂમમાં અમે બધા ભાઈબંધો બેઠા બેઠા મસ્તી કરીએ. હું સિગરેટ પીતો હતો, તે મેં સિગરેટ ફેંકી આમ બારીએ જઈને અને એ ચાદર ઉપર જ પડી, જ્યાં આગળ પેલા નીચે તળતા હતા. સિગરેટથી તો કંઈ મોટું સળગી ગયું હોય એવું બન્યું છે ? પણ કેવા સંજોગો ભેગા થયા ? નીચે ઢેબરા તળાતા હોય, નહીં તો સિગરેટ છેવટે કાણું પડીને નીચે પડી જાય. (પા.૧૨) પ્રશ્નકર્તા :હા, નીચે પડી જાય. દાદાશ્રી :હવે નીચે પેલું સળગાવેલું ને, એટલે ચાદર ગરમ થઈ ગયેલી અને આ સિગરેટ પડી એટલે ભડકો થયો મોટો. પ્રશ્નકર્તા :એ બધું ગરમ ખરું ને, એટલે સળગી ગયું. દાદાશ્રી :ગરમ થઈ ભડકો થઈ ગયો. ભાઈબંધે તો બધું દાબી દીધું. શાથી થયું, શાથી નહીં એ બધું દાબી દીધું, પણ આ બહુ ખોટું દેખાય. એટલે પછી તો મને બહુ મોટો પસ્તાવો થયો કે વળી આવું બધું આપણા હાથે, આપણા નિમિત્તે ! આપણે આવું નિમિત્ત ક્યાંથી બન્યા ? બોલો, સિગરેટ ઉપર ચીડ ચડે કે ના ચડે પછી ? અમારો બીજો એક ભાઈબંધ તે જાણે નહીં કે આવું બધું બન્યું તેવું. તે એને ઘેર હું સળગતી સિગરેટ નાખું, તે સળગતી નાખવાની ટેવ, તે પેલો ભડક ભડક કર્યા કરે કે સળગી ઊઠશે, કશુંક સળગી ઊઠશે. ત્યારે મેં કહ્યું કે ‘ભાઈ, કો’ક ફેરો આવું બને આપણા હાથે. જે નહોતું સળગી ઊઠવાનું, તે ત્યાં સળગી ઊઠ્યું. અને અહીં આ તો બધો હિસાબ જુદી જાતનો છે. ગભરાઈશ નહીં, તું ગભરાતો ના રહીશ.’ હોલવવા હઉ જાય પાછું. આપણને પોતાને સમજાય કે આ કટેવ ખોટી છે સળગતી નાખવાની, એની પર જાગૃતિ રાખવી પડે. પાનાની રમતમાં છેતરાયા પૈસાના લોભે પ્રશ્નકર્તા :દાદા, તમે ભૂલો કરી પણ પછી એના ઉપર ખૂબ વિચાર કર્યા છે, જાગ્રત રહ્યા છો, પછી તો એવી કંઈક ભૂલો થઈ હોય ને પાછા તેમાંથી બહાર નીકળી ગયા હોય તેવા પ્રસંગો કહો ને ! દાદાશ્રી :હું નાનપણમાં નડિયાદ ગામમાં સૌથી પહેલાં આવ્યો હતો. તે વખતે અગિયાર-બાર વર્ષની ઉંમર મારી. પ્રશ્નકર્તા :એટલે પહેલીવાર નડિયાદ આવેલા ? દાદાશ્રી :હા, પહેલી વખત નડિયાદ. ત્યારે નડિયાદ આવું ન હતું, જંગલ જેવું હતું. નડિયાદ જાનમાં આવેલો. ત્યાં આગળ દસ દહાડા રહ્યો હતો. જાનમાં ગયેલો તે પણ મને યાદ છે બધું ! ત્યાં પત્તા રમતા છેતરાયેલો. પેલા ચકરડામાં પાના રમે છે ને ? તે તીનપત્તી રમ્યો ને હારી ગયો. પ્રશ્નકર્તા :તીનપત્તી રમતા હતા તે વખતે ? દાદાશ્રી :હા, ત્યારે તીનપત્તી રમતા’તા. તે દહાડે રમવા ગયેલો. મિત્રોય કોઈ દેવ જેવા હતા ? તીર્થંકરને તો બધા દેવલોકો મિત્રો થઈને આવે અને અમારે મિત્રો તો પત્તા, પાના કાઢે એવા હતા. પાના રમે છે ત્યારે અહંકાર ઈન્ટ્રેસ્ટ (રસ)થી તેમાં સાચું-જૂઠું હઉ કરે. મિત્રોના સંગમાં પણ મૂળ માલ તો મહીંનો જ ને ! ત્યાં આગળ તીનપત્તીમાં છેતરાઈ ગયેલો. પંદર રૂપિયા, તે દહાડે પંદર રૂપિયા ઘરના નહીં, પાછા એક જણે દસ-બાર રૂપિયા આપ્યા હતા, કશુંક લાવવા. મારી પાસે તો બે-ચાર જ રૂપિયા હતા, બીજા પેલાના હતા. તે એના પૈસા વપરાઈ ગયા, તે મારે ફસામણ થઈ તે ઘડીએ. તે તીનપત્તીમાં જતા રહ્યા બધાય ! પ્રશ્નકર્તા :તીનપત્તી ? દાદાશ્રી :તીનપત્તી એટલે આજની તીનપત્તી નહીં, એ તો જરા આમ... પ્રશ્નકર્તા :હા, આમ આમ કરે ને આમ કરે, ત્રણ પત્તામાં. દાદાશ્રી :હા, પહેલાં જીતાડે એક-બે વખત. પ્રશ્નકર્તા :હા, એ આમ આમ નાખીને. પણ પહેલું દેખાડે એવું આપને. પહેલું તો કહે, (પા.૧૩) લો, આ પાંચ તમારા. પછી ફરી બે આપે. એટલે આપણે લોભ જાગે પછી કહે, હાથ મારો. દાદાશ્રી :હા, ફરી આપે. પણ આ આપણી મતિ કાચી પડી જાય ને ! શું આ બધી ગોઠવણી ! શી રીતે પહોંચી વળે માણસોને ? છોકરો અગિયાર-બાર વરસનો ! બચ્ચાઓ સરળ હોય. તે મોજશોખની જગ્યા આવે ત્યાં છેતરાઈ જાય. મોજશોખની જગ્યા આવે ત્યારે એંસી વરસેય છેતરાઈ જાય, મોજશોખ ના કરેલો હોય તે. એના કરતા છેતરાયેલો હોય તે સારો. અનુભવ કરેલો હોય તો ફરી છેતરાય તો નહીં ને! પ્રશ્નકર્તા :ના છેતરાય. દાદાશ્રી :તે પહેલું દેખાડ્યું મૂઆએ બે-ત્રણવાર, એટલે આપણે તો ભલાભોળા માણસ અને ગામડાના લોક કહેવાઈએ. મેં જાણ્યું કે આ બધામાં ફાવી ગયો, પણ પેલા મૂઆ તીનપત્તીવાળાએ છેતરી લીધો. તે ચૌદ-પંદર રૂપિયા લઈ ગયેલો, તે બધા લઈ લીધા. પછી જિંદગીમાં નિયમ લઈ લીધો કે ફરી આવું કામ કરવું નહીં. પછી ઘેર કહેવાય નહીં આ, કે પૈસા આવા ને આવા વાપરી ખાધા છે એવું. તે ધીમે ધીમે જેમતેમ કરીને પાછાં આપ્યા હતા. કહીએ ત્યારે આપે ને કોઈ ! એટલે એ મુશ્કેલી બધી ! પ્રશ્નકર્તા :ખોટું બોલવું પડે. દાદાશ્રી :એ ખોટું બોલવું પડે, એના કરતા એ બધી ભાંજગડ જ નહીં ને ! આ તો થોડે થોડે બબ્બે-બબ્બે રૂપિયા ભેગા થાય એટલે આપવાના. ફરી ન થવા દીધી એ ભૂલ પ્રશ્નકર્તા :પછી ત્યારથી તમે પાણી મૂક્યું કે હવે કોઈ દિવસ આ પત્તા નહીં રમવાના. દાદાશ્રી :પાણી મૂક્યું (પ્રતિજ્ઞા લીધી) ને ! પણ ખોટું દુઃખદાયી હોય, તે કેમ કરાય આપણાથી ? તે ત્યારથી આપણને એક ઉપદેશ મળ્યો કે હવે આ લોકો જોડે ઊભું ના રહેવું. આપણે જાણીએ કે આમાં મળતર છે, પણ મૂઆ હોતું હશે ? લોકો મળતર સારુ તમને બેસાડે છે અહીં ? પછી જે જાગૃતિ આવી ગયેલી, તે ફરી આ રીતે છેતરાયો નહીં. એક જ ફેર જોઈ લેવાનું હોય. ગીનીની પરીક્ષા એક જ ફેર કરવાની હોય, રોજ ઘસ ઘસ કરવાનું ના હોય. નાનપણમાં આ બાબતે જે જ્ઞાન મળ્યું પછી ઓળખી ગયો. એટલે મેં કીધું કે કલ્યાણ થઈ ગયું આપણું ! લૂંટાયા તો લૂંટાયા પણ ચોર તો દીઠા. પછી અમે જ્યાં આવું જોઈએ ત્યાં તરત બંધ, આખી જિંદગી. એટલે છેતરાયેલા એ કંઈ નુકસાન નથી. છેતરાવું એટલે મોટામાં મોટું જ્ઞાન શીખ્યા કહેવાય. જુઓ ને, પછી હવે છેતરાઉ ફરી ? હવે ગણસારા (ઈશારાથી અપાતી ચેતવણી) ઉપરથી સમજી જઉ. મારી હાજરીમાં મુંબઈમાં બેસી ગયેલા ઘણાં. મને દેખે આમ આવતો હોઉ ત્યારે, તે બે-ત્રણ જણા સાચા થઈને (સપડાવવા) બેસી રહે. હું જોઉને ઊભો રહું ખરો. એ જાણે કે હમણે સપડાશે, પણ ખસી જઉ. ઊભો રહું ખરો. એને જરા લાલચ પેસવા દઉં, પછી ખસું. કારણ કે હિસાબ આવી ગયો છે મારી પાસે. પ્રશ્નકર્તા :એ છેતરાય. દાદાશ્રી :હા, છેતરાય... જુઓને, કેવો બધો હિસાબ ! હવે ભૂલ સમજાય, મશ્કરીઓ કરેલી એની પ્રશ્નકર્તા :આપની માટે એવું કહે છે, આપ તો એવા જ તોફાની હતા. તમે કેવા તોફાન કરેલા ? દાદાશ્રી :અરે, બહુ જાતના તોફાન ! છોકરાં કરે એવા બધાય વળી. (પા.૧૪) પ્રશ્નકર્તા :કહોને દાદા, થોડાક, કેવા તોફાન કરેલા ? દાદાશ્રી :મશ્કરીઓ કરતો લોકોની, એ ટીખળો-બીખળો બધું. મને મશ્કરીની બહુ ટેવ હતી. તમે નાનપણમાં મશ્કરીઓ કોઈની નહીં કરેલી ? મેં તો બહુ કરેલી, બળી ! મને તો અત્યારે એ બધું આમ નકશાની પેઠ દેખાય. નકશામાં જેમ ન્યૂયોર્ક દેખાય, શિકાગો દેખાય એવું દેખાય આમ. એટલે મનમાં એમ થાય કે અરેરે, કેવા કેવા દોષો ! મશ્કરી એટલે કેવી કે બહુ નુકસાનકારક નહીં, પણ સામાને મનમાં અસર તો થાય ને ! સામાને દુઃખ થાય ને, બિચારાને ! પણ હવે આપણને તે ઘડીએ ખબર જ નહીં ને, ભાન જ નહીં ને ! તે અમે હઉ ઘૈડાં ડોસાઓની મશ્કરીઓ કરતા હતા. ત્યારે શું અત્યારે હું ડોસો નથી ? મારી મશ્કરી ના કરે ? અને એને અવળું લાગ્યું એટલે મશ્કરી તો કરે જ ને, છોકરાંને શું ? હવે મારી ઉંમરનાની આંખો તો બિચારાને ઢીલી થઈ ગયેલી હોય. હવે મારી રૂમમાં છે તે બે-ચાર કુરકુરિયાં ઘાલી જાય લોકો, તો મારી શી દશા થાય ? એવું અમે પહેલાં ઘૈડા ડોસા હોય ને, ત્યાં કુરકુરિયાં ઘાલી આવતા’તા. હવે મને વિચાર આવે છે કે આ કેવું કર્યું આપણે ? કોઈ આપણી પાછળ કરે તો શું થાય ? પછી પેલા ડોસા આખી રાત બૂમાબૂમ કરે કે મૂઆ છોકરાં, મરીએ ન ગયા, આ કુરકુરિયાં મારે ત્યાં ઘાલ્યા. પણ આ બધું ખોટું કર્યું. હવે સમજાય છે, તે દહાડે શું ભૂલ કરી ! નાની ઉંમર, છ-સાત વર્ષના હોય ત્યારે શું ના કરે છોકરાંઓ ? શીખ્યા મશ્કરી ખોટા ગુરુઓથી પ્રશ્નકર્તા :દાદા, તમે નાના હતા ત્યારથી ગરબડિયા જ હતા ? દાદાશ્રી :બધાય ગરબડિયા, હું એકલો નહોતો. પ્રશ્નકર્તા :તમે બધામાં ટોચ ઉપર લાગો છો, જેમ જ્ઞાનમાં ટોચ ઉપર આવ્યા એમ. દાદાશ્રી :મને જરા વધારે સમજણ પડે આવી. પણ ખોટું કહેવાય ને આ તો ! અત્યારે તો આંખો છે પણ કોઈની આંખો ના હોય, તો કેવી દશા થાય ? છોંતેર વર્ષે પગ ચાલતા ના હોય, બીજું ના ચાલતું હોય, કાકાને ઝાલવા પડતા હોય. એક કાકા તો બે આંખે આંધળા હતા ને, ત્યાંય કુરકુરિયાં મેલેલા. ખોટું દેખાય ને ! આવું ગાંડપણ બહુ હતું. અમારી નાનપણની જિંદગી જોઈએ તો બહુ ખરાબ લાગે છે ! એ ડોસાની કેવી દશા થાય ! ઘૈડપણ એટલે આ તો જૂનું મંદિર, એમની શી દશા થતી હશે એ નવા મંદિરવાળાને (જવાનિયાઓને) શું ખબર પડે ? ઘૈડાં લોકો આમ ચાલે ને, ત્યારે આમ આમ ચાલીને તેમની પાછળ મશ્કરીઓ કરી પણ ખબર નહોતી કે જૂના મંદિર થાય ત્યારે શી દશા થાય ? મશ્કરી કંઈથી શીખે છે ? આ આપણા ગુરુઓથી (આજુબાજુવાળા લોકોથી), જે સંજોગો બધા ભેગા થાય એ આપણા ગુરુઓ. એ જેવું કરે એટલું આપણે કરીએ. એ બધા છે તે માજીને પગે હાથ અડાડે ને આમ આમ ગલીપચી કરે તો આપણેય એવું કરીએ. એ બધા મશ્કરી કરે તો આપણેય મશ્કરી કરીએ. સમજી જોખમ, કર્યા પ્રતિક્રમણ મશ્કરીના બાકી, મેં બધી જાતની મશ્કરીઓ કરેલી. હંમેશાં બધી જાતની મશ્કરી કોણ કરે ? બહુ ટાઈટ બ્રેઈન (તેજ મગજ) હોય તે કરે. હું તો લહેરથી મશ્કરી કરતો હતો, બધાની. સારા-સારા માણસોની, મોટા-મોટા વકીલોની, ડૉક્ટરોની મશ્કરી કરતો. હવે એ બધો અહંકાર તો ખોટો જ ને ! (પા.૧૫) એ આપણી બુદ્ધિનો દુરુપયોગ કર્યો ને ! મશ્કરી કરવી એ બુદ્ધિની નિશાની છે. પ્રશ્નકર્તા : મને તો હજુય મશ્કરી કરવાનું મન થયા કરે છે. દાદાશ્રી : મશ્કરી કરવાના બહુ જોખમ છે. બુદ્ધિથી મશ્કરી કરવાની શક્તિ હોય છે જ, અને એનું જોખમેય એટલું જ છે પછી. અમે આખી જિંદગી જોખમ વહોરેલું, જોખમ જ વહોર વહોર કરેલું. પ્રશ્નકર્તા : મશ્કરી કરવામાં જોખમ શું શું આવે ? કઈ જાતના જોખમ આવે? દાદાશ્રી : એવું છે, કે કોઈને ધોલ મારી હોય ને જે જોખમ આવે તેના કરતાં આ મશ્કરી કરવામાં અનંતગણું જોખમ છે. એને બુદ્ધિ પહોંચી નહીં એટલે તમે એને તમારા લાઈટ (બુદ્ધિપ્રકાશ)થી તમારા કબજામાં લીધો. એટલે પછી ત્યાં આગળ ભગવાન કહેશે, ‘આને બુદ્ધિ નથી તેનો આ લહાવો લે છે !’ ત્યાં આગળ ખુદ ભગવાનને આપણે સામાવાળિયો કર્યો. પેલાને ધોલ મારી હોત તો, તો એ સમજી ગયો, એટલે પોતે માલિક થાય. પણ આ તો એની બુદ્ધિ પહોંચતી જ નથી, એટલે આપણે એની મશ્કરી કરીએ એટલે પેલો માલિક પોતે ના થાય. એટલે ભગવાન જાણે કે ‘ઓહોહો, આને બુદ્ધિ ઓછી છે તેને તું સપડાવે છે ? આવી જા.’ એ તો પછી આપણા સાંધા તોડી નાખે. પ્રશ્નકર્તા : અમે તો આ જ ધંધો મુખ્ય કરેલો. દાદાશ્રી : પણ હજુ એના પ્રતિક્રમણ કરી શકો ને ! આ અમે તો એ જ કરેલું ને ! અને એ તો બહુ ખોટું ! મારે તો એ જ ભાંજગડ પડી હતી. પેલી બુદ્ધિ અંતરાઈ રહી હતી તે શું કરે ? બળવો તો કરે જ ને ! તે વધુ બુદ્ધિ થઈ તેનો આટલો બધો લાભ ને ! તેથી આ મશ્કરીવાળાને વગર લેવાદેવાનું દુઃખ ભોગવવાનું. કોઈ આમ આમ ચાલતા હોય અને એને જો હસીએ ને, મશ્કરી કરીએ ને, તો ભગવાન કહેશે, ‘આ ફળ લ્યો.’ આ દુનિયામાં મશ્કરી કોઈ પણ પ્રકારની ના કરશો. મશ્કરી કરવાને લઈને જ આ બધા દવાખાના ઊભા થયા છે. આ પગ-બગ બધા જે ભંગાર માલ છે ને, તે મશ્કરીઓનું ફળ છે. તે અમારુંય આ મશ્કરીનું ફળ આવેલું છે. તેથી અમે કહીએ છીએ ને, ‘મશ્કરી કરો તો બહુ ખોટું કહેવાય. કારણ કે મશ્કરી ભગવાનની થઈ કહેવાય. ભલે ને, ગધેડો છે પણ આફ્ટર ઓલ (અંતે તો) શું છે ? ભગવાન છે.’ હા, છેવટે તો ભગવાન જ છે ને ! જીવમાત્રમાં ભગવાન જ રહેલા છે ને ! મશ્કરી કોઈની કરાય નહીં ને ! આપણે હસીએ ને, તો ભગવાન જાણે કે ‘હા, હવે આવી જા ને, તારો હિસાબ લાવી આપું છું આ ફેરો.’ પ્રશ્નકર્તા : હવે એના ઉપાયમાં પ્રતિક્રમણ તો કરવા જ પડે ને? દાદાશ્રી : હા, કરવા જ પડે ને ! છૂટકો જ નહીં. પ્રશ્નકર્તા : ‘દાદા, આપની સાક્ષીએ જાહેર કરીને, માફી માગીને પ્રતિક્રમણ કરું છું’, કહીએ તો ? દાદાશ્રી : ‘દાદા, આપની સાક્ષીએ...’ બોલોને, તોય ચાલે. ‘આ વાણી દોષથી જે જે લોકોને દુઃખ થયું હોય તે બધાની ક્ષમા માગું છું,’ તો બધાને પહોંચી જાય. ભાગીદારને બનાવ્યા બબૂચક આ જ્ઞાન થયું તે પહેલાં મને ટીખળ કરવાની બહુ ટેવ. એક વખત મારા ભાગીદાર સી. પટેલ સાથે ફરવા જતા હતા. તેમણે કહ્યું કે ‘તમે બધું કહો છો, ત્યારે કહો આ છોડ શાનો છે ?’ મેં કહ્યું, ‘ઈલાયચીનો.’ તે ઉપર નાના નાના દોડવા (પા.૧૬) બેઠેલાં. તેમણે માન્યું પણ ખરું. પછી ઘેર ગયા ને ઘરડાંઓને વાત કરી કે અહીં ઈલાયચી બહુ થાય છે. ત્યારે એ કહે, ‘અલ્યા, કોણે કહ્યું ?’ ત્યારે કહે, ‘મારા ભાગીદારે કહ્યું, પેલા અંબાલાલે.’ એટલે ડોસા મારી પાસે આવ્યા. તે મને કહે છે, ‘અલ્યા, ઈલાયચી ક્યાં થાય છે ?’ ત્યારે મેં કહ્યું, ‘મેં તેને બબૂચક બનાવ્યો, તે તમે બબૂચક શું કામ બન્યા ?’ ઈલાયચી તો છોડ ઉપર નહીં પણ મૂળિયામાં થાય. વધારે બુદ્ધિનો દુરુપયોગ, મશ્કરીઓ કરવામાં આપણી બુદ્ધિ વધારે હોય, તેનો દુરુપયોગ શેમાં થાય ? ઓછી બુદ્ધિવાળાની મશ્કરી કરે એમાં ! આ જોખમ જ્યારથી મને સમજાયું, ત્યારથી મશ્કરી કરવાની બંધ થઈ ગઈ. મશ્કરી એ કંઈ થતી હશે ? મશ્કરી એ તો ભયંકર જોખમ છે, ગુનો છે ! મશ્કરી તો કોઈનીય ના થાય. પ્રશ્નકર્તા : પણ વધારે બુદ્ધિવાળાની મશ્કરી કરીએ તો શો વાંધો? દાદાશ્રી : પણ ઓછી બુદ્ધિવાળો મશ્કરી સ્વાભાવિક રીતે કરે જ નહીં ને ! અંતરાયેલી બુદ્ધિ, કહેવાયા ‘સળીયાખોર’ પ્રશ્નકર્તા :બુદ્ધિ અંતરાય રહી’તી, એ શું દાદા ? દાદાશ્રી : અંતરાયેલી બુદ્ધિ આવું ખોળી કાઢે. અંતરાયેલી બુદ્ધિ શું કરે ? તોફાન માંડે કે ના માંડે ? તે દહાડે બુદ્ધિ અંતરાયેલી હતી ને ! તે સળીઓ કરે. બુદ્ધિ અંતરાયને ત્યારે કંઈ મજા ના આવતી હોય તો સળી કરે કે ‘મજા આવી’ કહે. સળી એટલે શું કે અહીં પોતે બેઠો હોય ને ટેટો પેણે ફૂટે, એનું નામ સળી ! તે આ બધી બુદ્ધિ ઊંધી-છત્તી થયા જ કરે ને ! એટલે લોક જાણે કે આ સળીયાખોર છે અને અમેય કહીએ ખરા કે ભાઈ, અમે સળીયાખોર જ હતા. પ્રશ્નકર્તા : આપ સવળી સળીય કરતા હશો ને ? દાદાશ્રી : સવળી સળીય ખરી, પણ એ ઓછી. વધારે તો અવળી. સવળી તો કંઈ પડેલી જ નહોતી ને ! અને અવળી તો કેટલે સુધી ? માણસ ના મળે તો છેવટે કોઈ છોકરાને શિખવાડું કે અલ્યા, પેલા ગધેડાની પાછળ ખાલી ડબ્બો બાંધજો. અરે ! ગધેડાની પાછળ તો અમે બધા છોકરાંઓ ભેગા થઈને ડબ્બા હઉ બાંધેલા. આખી રાત પછી પેલું ગધેડું કૂદાકૂદ જ કરે ને ! તે પછી આખી રાત ધમધોકાર (ધમાધમ). લોકોને સૂવા જ ના દે ને પછી ! લોકોને ઊંઘ ના આવે. એક તો લોકોને કામધંધો કશો નહીં, નવરા. કંઈક સંભળાયું તે જુએ, આ શું થયું ? અરે ! બળ્યું, આ તો ગધેડાની પાછળ ડબ્બો બાંધેલો છે ! ગધેડાની પૂંઠે ખાલી ડબ્બો બંધાવે ને પછી પેલા છોકરાંઓ પાછળ હાંકે. તે આખા ગામમાં હો હો હો ચાલે. લોકો પછી ગાળો દે કે આ છોકરાંઓનું સત્યાનાશ જજો ! આવો તેવો બુદ્ધિનો દુરુપયોગ બધો થયેલો. તમને તો આવું ના આવડે ને ? તે આ બધું એવું છે, આ સંસ્કાર બધા ગામડાનાને ! અને આપણે તો મૂળથી બધી આડી જાત, વઢમ્વઢા કરવા જોઈએ, લઢવાડ... આ તો જ્ઞાન મળ્યું, તે હવે એ રાગે પડી ગયું. જ્ઞાન પહેલાં બધા જેવું જ કળિયુગી જીવન આ તો બધા જાણે કે અત્યારે દાદાને જ્ઞાન થયું એટલે પહેલાંનું જીવન ચોખ્ખું ગયેલું હશે, પણ હોય કળિયુગમાં બધું ચોખ્ખું ? ગુસ્સે થતો ને, ત્યારે સામાને આધાશીશી ચઢી જાય એવું બોલું. (પા.૧૭) આધાશીશી ઊતરે નહીં પાછી ત્રણ-ત્રણ, ચચ્ચાર કલાક સુધી. મન તૂટી ના જાય પણ આધાશીશી ચઢી જાય. ત્યારે લોકોય કહે, ‘આવું કેવું બોલો છો કે ગધેડાનેય આધાશીશી ચડે એવું ?’ સંસ્કાર જરાક કાચા કહેવાય એ. મારે નાનપણથી લોભ નહોતો, પણ માન બહુ ભારે હતું. એટલે ક્રોધેય ભારે ! પ્રશ્નકર્તા : માનમાં જરાક પણ મગજમારી થઈ એટલે તમે કોપાયમાન થઈ જાવ, એમ ને ? દાદાશ્રી : માનમાં એક વાળ જેટલું ઊભું થાય ને, તો ભયંકર ઉત્તાપના થાય અને સામોય ધ્રૂજી જાય બિચારો ! તે સામાને બાળી મૂકે એવો ક્રોધ નીકળે, એવો જબરજસ્ત ક્રોધ હતો. કારણ કે બીજો લોભ નહીં ને ! ઘણા ફેરા તો એ જે અજ્ઞાનતામાં મારો ક્રોધ હતો એ જો ખરેખરો ઉકળ્યો હોય, તો સામો માણસ મારા ક્રોધથી ત્યાં ને ત્યાં જ મરી જાય. એક શીખ તો મરી જવાનો હતો, તે મારે જોવા જવું પડ્યું હતું ને માથે હાથ ફેરવ્યો ત્યારે રાગે પડ્યું. એટલે અમે આ સ્થિતિમાં હતા. ઘેર કંઈ લાંબા (વધારે) રૂપિયા હતા નહીં. ખાલી ઉપરનો ડોળ, દેખાવ ! એમાં આ ઉપાધિ, ચિંતા પાર વગરની ! પ્રશ્નકર્તા :આપનેય પહેલાં આટલો બધો ગુસ્સો હતો, તે છતાં આજે તમે આ કક્ષાએ પહોંચી શક્યા ? દાદાશ્રી :હા, ગુસ્સો તે કેવો ? ગામ બાળી મેલે એવો ગુસ્સો. જો કદી કોઈએ ભારે અપમાન કરી નાખ્યું હોય ને, તો ગામને સળગાવી મેલે. બોલો હવે, એ માણસ નર્કે જાય, કાં તો આમ ચઢે તો ઉપર ચઢી જાય ! એટલે આ બહુ વસમું ખાતું હતું. એ તો સારું થયું કે લોકોએ મારી-ઠોકીને પાંસરો કરી નાખ્યો. પાંસરો કરે કે ના કરે? પ્રશ્નકર્તા :પાંસરો કરે જ. દાદાશ્રી :પણ તે મારી-ઠોકીને પાંસરો કર્યો ! છેવટે પાંસરા તો થવું પડશે ને ? કર્યા પ્રતિક્રમણ ધમધમાવીને તે વખતે અજ્ઞાનદશામાં અમારો અહંકાર ભારે. ‘ફલાણા આવા, ફલાણા તેવા’ તે તિરસ્કાર, તિરસ્કાર, તિરસ્કાર, તિરસ્કાર... અને કોઈને વખાણેય ખરા. એકને આ બાજુ વખાણે ને, એકને તિરસ્કાર કરે. પછી ૧૯૫૮માં જ્ઞાન થયું ત્યારથી ‘એ. એમ. પટેલને’ કહી દીધું કે, આ જે તિરસ્કાર કર્યા, એ ધોઈ નાખો બધા હવે, સાબુ ઘાલીને, તે માણસ ખોળી-ખોળીને બધા ધો ધો કર્યા. આ બાજુના પાડોશીઓ, આ બાજુના પાડોશીઓ, આ બાજુના કુટુંબીઓ, મામા, કાકા, બધાય જોડે તિરસ્કાર થયેલા હોય બળ્યા ! તે બધાના (તિરસ્કાર) ધોઈ નાખ્યા. પ્રશ્નકર્તા : તે મનથી પ્રતિક્રમણ કર્યું ? સામે જઈને નહીં ? દાદાશ્રી : ‘મેં’ અંબાલાલ પટેલને કહ્યું કે ‘આ તમે ઊંધાં કર્યાં છે, એ બધા મને દેખાય છે. હવે તો તે બધા ઊંધા કરેલા ધોઈ નાખો !’ એટલે એમણે શું કરવા માંડ્યું ? કેવી રીતે ધોવાના ? ત્યારે મેં સમજ પાડી કે એને યાદ કરો. ચંદુભાઈને ગાળો દીધી અને આખી જિંદગી ટૈડકાવ્યા છે, તિરસ્કાર કર્યા છે, તે બધું આખું વર્ણન કરી અને ‘ચંદુભાઈના મન-વચન-કાયાનો યોગ, ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી ભિન્ન એવા હે પ્રગટ શુદ્ધાત્મા ભગવાન ! આ ચંદુભાઈની માફી માગ માગ કરું છું, તે દાદા ભગવાનની સાક્ષીએ માફી માગું છું. ફરી એવા દોષો નહીં કરું’ તમે એવું કરો. પછી તમે સામાના મોઢા ઉપર ફેરફાર જોઈ શકશો. (પા.૧૮) એનું મોઢું બદલાયેલું લાગે. અહીં તમે પ્રતિક્રમણ કરો ને ત્યાં બદલાય. પ્રશ્નકર્તા : રૂબરૂમાં પ્રતિક્રમણ કરાય ? દાદાશ્રી : રૂબરૂમાં કરાય. રૂબરૂમાં તો બહુ ખાનદાન માણસ હોય તો જ કરાય. નહીં તો પાછો કહેશે, ‘હવે ડાહી થઈને! હું કહેતો હતો ને ના માન્યું, ને હવે ડાહી થઈ !’ મેર ચક્કર, અવળો અર્થ કર્યો એણે ? પછી ડફળાવી મારે બિચારીને. એના કરતા રૂબરૂ ના કરશો. આ લોક તો બધા અણસમજુ. એ તો કો’ક જ ખાનદાન માણસ હોય તે નરમ થઈ જાય અને પેલો તો કહેશે, ‘હવે ભાન થયું ? હું ક્યારનો કહું છું, માનતી નહોતી.’ એ શું કહેશે એય મને ખબર હોય અને તમને શું થયું તેય મને ખબર હોય. નાટક, ડ્રામા ! એટલે આવું પ્રતિક્રમણ અમે કરી નાખીએ. પણ આમાં રહી પવિત્રતા ચારિત્રની અમને તો બધાય રંગ લાગેલા, પણ અમુક રંગ નથી લાગ્યા. કવિએ કહ્યું છે કે ‘જેના પવિત્ર અંગો છે બધા. તે પવિત્ર અંગો છે’, શું બોલ્યા’તા તમે ? પ્રશ્નકર્તા :‘સર્વાંગે પવિત્રતા વેદી હૈ, અદ્વિતીય મહાનતા ઐસી હૈ.’ દાદાશ્રી :એટલે આ બધા અંગોએ પવિત્રતા વેરાઈ છે, તે મારો પુરુષાર્થ નથી. આ લઈને આવેલો એવો સામાન બધો, એવિડન્સ (સંયોગ) બધા. એટલે અમારાથી વિકારી સંબંધ નહોતા થયા. વિકારી સંબંધ સિવાય બીજું બધું થયેલું. વિકારી સંબંધમાં આ અમારાથી ના થાય, અમને એ મિથ્યાભિમાન હતું. કુળના અભિમાનથી ઘણું સચવાયેલું કે અમારાથી આ ના થાય. એટલે એક ચારિત્ર સિવાય બધી જ ખરાબી થયેલી પણ ચારિત્ર ખરાબ નહીં થયેલું. ચારિત્ર સુમેળ રહેલું. ચારિત્ર ભ્રષ્ટ નહીં થયેલું. પ્રશ્નકર્તા :ચારિત્ર ભ્રષ્ટ એટલે માનસિક વિકાર થયેલો કોઈવાર ? દાદાશ્રી :વખતે માનસિક થયેલો, તેનો પણ ઉપાય કરી નાખેલો પછી. જેમ કપડું ડાઘવાળું થયું તે સાબુથી ધોઈ નખાય, એવું મારી પાસે ઉપાયો હતા. સાબુથી ધોઈ નાખે કે ના ધોઈ નાખે, જેની પાસે હોય તે ? પ્રશ્નકર્તા :બરાબર છે. એ ઉપાય શું કરો આપ ? દાદાશ્રી :એ ઉપાય તો અત્યારે કહેવા જેવો નહીં. એ ઉપાય તો બધો આધ્યાત્મિક ઉપાય છે, એ સ્થૂળ ઉપાય નથી. એ ભૂલ જે થઈ હોય એ સ્થૂળ છે પણ ઉપાય આધ્યાત્મિક છે એનો. રક્ષણ કરવાથી વધે ભૂલોનું આયુષ્ય ભૂલ થઈ હોય, પણ એનું આયુષ્ય શી રીતે વધે તે હું જાણતો હતો. એટલે શું કરું ? બધા બેઠા હોય ને કો’ક એક જણ આવ્યો ને કહે, ‘મોટા જ્ઞાની થઈ બેઠાં છો, હુકલી તો છૂટતી નથી.’ એમ બધું બોલે ને, ત્યારે હું કહું કે ‘મહારાજ, આ આટલી ઊઘાડી નબળાઈ છે એ હું જાણું છું. તમે આજ જાણ્યું, હું તો પહેલેથી જ જાણું છું.’ જો હું એમ કહું કે ‘અમારા જ્ઞાનીઓને કશું અડે નહીં.’ એટલે પેલો હુક્કો મહીં સમજી જાય કે અહીં આપણું વીસ વર્ષનું આયુષ્ય વધ્યું ! કારણ કે ધણી સારા છે, ગમે તે કરીને રક્ષણ કરે છે. પણ એવો હું કાચો નથી. રક્ષણ કોઈ દહાડો નથી કર્યું. લોક રક્ષણ કરે કે ના કરે? પ્રશ્નકર્તા : હા, કરે, બહુ જોરદાર કરે. (પા.૧૯) દાદાશ્રી : એક સાહેબ છીંકણી સુંઘતા હતા, આમ કરીને. મેં કહ્યું, ‘સાહેબ, આ છીંકણીની જરૂર છે તમારે ?’ ત્યારે એ કહે, ‘છીંકણીનો તો કંઈ વાંધો નહીં.’ મેં કહ્યું, ‘આ સાહેબને ખબર જ નથી કે આ છીંકણીનું મહીં આયુષ્ય વધારી આપો છો !’ કારણ કે આયુષ્ય એટલે શું ? કોઈ પણ સંયોગ છે તે વિયોગનું નક્કી થયા પછી સંયોગ ભેગો થાય. આ તો નક્કી થયું હોય એનું પાછું આયુષ્ય વધારે આમ ! કારણ કે જીવતો માણસ ગમે એટલું વધ-ઘટ કરાવડાવે, એટલે શું થાય પછી ? આ બધા આયુષ્ય વધારે છે, દરેક બાબતમાં એનું રક્ષણ કરે છે કે ‘કશો વાંધો નહીં, અમને તો અડે જ નહીં.’ ખોટી વસ્તુનું રક્ષણ કરવું એ તો ભયંકર ગુનો છે. ભૂલ ભાંગે તે પરમાત્મા આપણામાં ક્રોધ-માન-માયા-લોભના કષાયો છે એ ઉધાર થયા વગર રહે જ નહીં. એટલે તેની સામે જમે કરી લેવું. આપણી ભૂલ થઈ હોય તે ઉધાર થાય પણ તરત જ કેશ-રોકડું પ્રતિક્રમણ કરી નાખવું. આપણા થકી કોઈને અતિક્રમણ થાય તો આપણે જમે કરી લેવું અને પાછળ ઉધાર નહી રાખવું. અને જો કોઈના થકી આપણી ભૂલ થાય તોય આપણે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરી લેવું. મન-વચન-કાયાથી, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માગ માગ કરવાની. ડગલે ને પગલે જાગૃતિ રહેવી જોઈએ. આપણામાં ક્રોધ-માન-માયા-લોભના કષાયો તો ભૂલો કરાવી ઉધાર કરાવે એવો માલ છે; તે ભૂલો કરાવે જ અને ઉધારી ઊભી કરે. પણ તેની સામે આપણે તરત જ તત્ક્ષણ માફી માગીને જમા કરીને ચોખ્ખું કરી લેવું. આ વેપાર પેન્ડિગ (બાકી) ના રખાય. આ તો દરઅસલ રોકડિયો વ્યાપાર કહેવાય. પ્રશ્નકર્તા : અત્યારે ભૂલો થાય છે, એ ગયા અવતારની ખરી ને? દાદાશ્રી : ગયા અવતારના પાપને લઈને જ આ ભૂલો છે. પણ આ અવતારમાં ફરી ભૂલ ભાંગે જ નહીં ને વધારતો જાય. ભૂલને ભાંગવા માટે ભૂલને ભૂલ કહેવી પડે. તેનું ઉપરાણું ના લેવાય. ‘આ’ ‘જ્ઞાની પુરુષો’ની કૂંચી કહેવાય. તેનાથી ગમે તેવાં તાળાં ઊઘડી જાય. જો પોતાની એક ભૂલ જડે તો ભગવાને તેને માણસ કહ્યો છે. જે ભૂલથી ઘોર જંગલમાં વિચરતો અટકે ને તેને પોતાની ભૂલ જડે તે માનવ છે. એની ભૂલને બતાવનારને ભગવાને ‘અતિ માનવ’ (સુપર હ્યુમન) કહ્યો છે. આ જગતમાં બધું જ જડે પણ પોતાની ભૂલ ના જડે. જેણે એક વખત નક્કી કર્યું હોય કે મારામાં જે ભૂલ રહી હોય તેને ભાંગી નાંખવી છે, તે પરમાત્મા થઈ શકે છે. આપણે આપણી ભૂલથી બંધાયા છીએ. ભૂલ ભાંગે તો પરમાત્મા જ છીએ. જેની એક પણ ભૂલ નથી એ પોતે જ પરમાત્મા છે. આ ભૂલ શું કહે છે ? તું મને જાણ, મને ઓળખ. આ તો એવું છે કે ભૂલને પોતાનો સારો ગુણ માનતા હતા. તે ભૂલનો સ્વભાવ કેવો છે કે તે આપણી ઉપર અમલ કરે. પણ ભૂલને ભૂલ જાણી તો તે ભાગે. પછી ઊભી ના રહે, ચાલવા માંડે. પણ આ તો શું કરે કે એક તો ભૂલને ભૂલ જાણે નહીં ને પાછો એનું ઉપરાણું લે. તેથી ભૂલને ઘરમાં જ જમાડે. સ્વદોષો દેખાય ત્યારથી બાવો જાય મંગળદાસનું જો ઉપરાણું લઈએ તો આપણે બાવા જ રહેવાના અને બાવાનું ઉપરાણું લઈએ તો આપણે ફરી મંગળદાસ જ થવાના. એમને એમનો હિસાબ હોય એ મળ્યા કરવાનો, આપણે જોયા કરવાનું. શું બને છે એ જુઓ એ જ આપણો માર્ગ ! (પા.૨૦) અને પોતાની ભૂલ પોતાને જ્યારે દેખાશે ત્યારે ડિસિઝન (નિર્ણય) આવી ગયું. બાવો હવે રહેવાનો નથી બહુ ટાઈમ. હવે બહુ ટાઈમ બાવા તરીકે રહેશે નહીં. હવે ભગવાન થઈ જવાનો. પોતાની ભૂલ પોતે જુએ ત્યારથી એ ભગવાન થવાની તૈયારી થાય. સ્વદોષો જોતા પામ્યો મહાવીરનો માર્ગ ચંદુભાઈમાં જે જે દોષો હોય તે બધા દેખાય. જો દોષો ના દેખાતા હોય તો આ જ્ઞાન કામનું શું ? એટલે કૃપાળુદેવે શું કહ્યું હતું? ‘‘હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ, દીઠા નહીં નિજ દોષ, તો તરીએ કોણ ઉપાય ?’’ તે પોતાના દોષ દેખાય. દોષ છે તેનો વાંધો નથી. તે કોઈનામાં પચ્ચીસ હોય કે કોઈનામાં સો હોય, અમારામાં બે હોય. તેની કંઈ કિંમત નથી. ઉપયોગ જ રાખવાનો. ઉપયોગ રાખ્યો એટલે દોષ દેખાયા જ કરે. બીજું કશું કરવાનું નથી. દોષ જ્યારથી દેખાવાના થાય ને, ત્યારથી કૃપાળુદેવનો ધર્મ સમજ્યો કહેવાય. પોતાના દોષ આજે જે દેખાય તે કાલે ના દેખાય, કાલે નવી જાતના દેખાય, પરમ દહાડે એનાથી નવી જાતના દેખાય, ત્યારે આપણે જાણીએ કે આ કૃપાળુદેવનો ધર્મ સમજાયો છે ને કૃપાળુદેવનો ધર્મ પાળે છે પોતાના દોષ દેખાય નહીં, ત્યાં સુધી કશું સમજ્યો નથી. ક્રમિક માર્ગમાં તો ક્યારેય પોતાના બધાં જ દોષો પોતાને દેખાય જ નહીં. ‘દોષો તો ઘણા છે પણ અમને દેખાતા નથી.’ એવું જો કહે તો હું માનું કે તું મોક્ષનો અધિકારી છે પણ જે કહે કે મારામાં બે-ચાર જ દેખાય છે, તે અનંત દોષથી ભરેલો છે ને કહે છે કે બે-ચાર જ છે ! તે તને બે-ચાર દોષ જ દેખાય છે, તેથી એટલા જ તારામાં દોષ છે એમ તું માને છે ? મહાવીર ભગવાનના માર્ગને ક્યારે પામ્યો કહેવાય ? જ્યારે રોજ પોતાના સો-સો દોષો દેખાય ને રોજ સો-સો પ્રતિક્રમણ થાય, ત્યાર પછી મહાવીર ભગવાનના માર્ગમાં આવ્યો કહેવાય. ‘સ્વરૂપનું જ્ઞાન’ તો હજી એની પછી ક્યાંય દૂર છે. પણ આ તો ચાર પુસ્તકો વાંચીને ‘સ્વરૂપ’ પામ્યાનો કેફ લઈને ફરે છે. આ તો ‘સ્વરૂપ’નો એક છાંટો પણ પામ્યો ના કહેવાય. દોષો દેખાયા કરે તે જ કમાણી પ્રશ્નકર્તા : દોષો વધારે દેખાય એ માટે જાગૃતિ શી રીતે આવે ? દાદાશ્રી : મહીં જાગૃતિ તો બહુ છે પણ દોષોને ખોળવાની ભાવના થઈ નથી. પોલીસવાળાને ચોર જોવાની ઈચ્છા થાય ત્યારે ચોર જડી જાય. પણ આ જો પોલીસવાળો કહે કે ‘કંઈ ચોર પકડવા જવું નથી, એ તો આવશે તો પકડીશું.’ એટલે પછી ચોર મજા કરે જ ને ! આ ભૂલો તો સંતાઈને બેઠી છે. તેને શોધે તો તરત જ પકડાતી જાય. બધી જ કમાણીનું ફળ શું ? તમારા દોષ એક પછી એક તમને દેખાય તો જ કમાણી કરી કહેવાય. આ બધો જ સત્સંગ ‘પોતાને’ પોતાના બધા જ દોષો દેખાય એ માટે છે. અને પોતાના દોષ દેખાય ત્યારે જ એ દોષો જશે. દોષો ક્યારે દેખાશે ? જ્યારે પોતે ‘સ્વયં’ થશે, ‘સ્વસ્વરૂપ’ થશે ત્યારે. જેને પોતાના દોષ વધારે દેખાય એ ઊંચો. ભગવાન મહાવીરના સિદ્ધાંત આ ભગવાન મહાવીરનો સિદ્ધાંત આખો પ્રતિક્રમણ ઉપર જ ઊભો રહેલો છે. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન ! જ્યાં આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન નથી ત્યાં ધર્મ જ નથી. હવે આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન જગતના લોકોને યાદ રહે નહીં. તમે શુદ્ધાત્મા થયા છો, (પા.૨૧) એટલે તમને તરત યાદ આવે ! આ શાસન અમારું ના ગણાય. અમે તો શાસનના શણગાર કહેવાઈએ. મહાવીર શાસનના શણગાર ! હંઅ. અમારે એ શાસનને શું કરવું ? આ પીડા અમે ક્યાં લઈએ ? આ તો ભગવાન મહાવીરનું શાસન કહેવાય. એ તીર્થંકરને શોભે. અમને શોભે નહીં આ. અમે તો વચ્ચે એમાં પુષ્ટિ દેનારા. આ ફક્ત અમારું (અક્રમ) જ્ઞાન, એનું એ જ વિજ્ઞાન છે આ ! પણ ક્રમિકમાં ગલીકૂંચીઓવાળું છે આ. અત્યારે લોક ગલીકૂંચીઓમાં પેસી ગયા છે. અને તે આડી ગલી એકલીમાં નહીં પણ આડીમાં પાછી ઊભી ને ઊભીમાં પાછી ત્રાંસી. ફરી જડે જ નહીં પાછો ! હવે ત્યાં જ્ઞાન પહોંચાડવું એટલે બહુ સહેલું ના હોય. આ ભગવાનનું જ્ઞાન તે કેવું સ્ટ્રેઈટ ફોરવર્ડ (સીધું-સરળ) ! આ સ્ટ્રેઈટ લાઈન (સીધી લીટી) ને આ સ્ટ્રેઈટ લાઈન. નોર્થ, નોર્થ-વેસ્ટ, સાઉથ-વેસ્ટ, એવું બધું પણ એકઝેક્ટ ફીગરનું ! અને આ તો અત્યારે કંઈ ગલીની મહીં ગલી ને તેની મહીં ગલી ! અને ગોળ કૂંડાળું ફરીને પાછા ત્યાંના ત્યાં જ આવે ! એટલે આ અક્રમજ્ઞાન આવ્યું. નિષ્પક્ષપાતી થતા દેખાય ભૂલો એટલે ભૂલો દેખાવા માંડીને, તે જેટલી દેખાય એટલી જાય. તમને થોડી ભૂલો દેખાય છે ? રોજ પાંચ-દસ દેખાતી જાય છે ને ? એ દેખાઈ, એટલે દેખાવાનું વધતું જશે. હજુ તો બહુ દેખાશે. જેમ જેમ દેખાતી જાય, તેમ તેમ આવરણ ખૂલતાં જાય ને તેમ વધુ દેખાતી જાય. અમુક દોષો બંધ થાય એવું નથી. એ તો માર ખાશે ત્યારે અનુભવ થશે, ત્યારે દોષો બંધ થશે. હું જાણું કે આ અનુભવ વગર બંધ ના થાય. બંધ કરાવીએ તે ખોટું છે. જેટલું કરવું હોય એટલું થાય એવું છે અને તે કરે છે કેટલાક મહાત્માઓ. પુરુષાર્થ છે પણ એ બધા માણસોને આવડતો નથી. આપણે ત્યાં જે પેલું સામાયિક કરાવે છે ને, એ મોટો પુરુષાર્થ છે. ભૂલનો સ્વભાવ કેવો છે કે ભૂલ દેખાઈ કે ભૂલ જવાની તૈયારી કરી દે. ભૂલ ઊભી ના રહે. દોષ થાય તેનો વાંધો નથી પણ દોષ દેખાવો જોઈએ. દોષ થાય છે તેનો દંડ નથી પણ ભૂલો દેખાય છે તેનું ઈનામ મળે છે. કોઈને પોતાની ભૂલો ના દેખાય. આત્મા પ્રાપ્ત થયા પછી નિષ્પક્ષપાતી થાય એટલે ભૂલો દેખાવાની શરૂ થાય. જ્યારે સંપૂર્ણ નિષ્પક્ષપાતીપણું આવે, આ દેહને માટે, વાણીને માટે, વર્તનને માટે સંપૂર્ણ નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન થાય ત્યારે જ પોતે પોતાના બધા જ દોષો જોઈ શકે. આ જ્ઞાન આપ્યા પછી તમે નિષ્પક્ષપાતી થયા એટલે દેહનો પક્ષપાત તમને પાડોશી જેટલો રહ્યો. એટલે જે ભૂલ હોય તે દેખાયા કરે. દેખાઈ એટલે જવા માંડે. પોતાના દોષ જડે ત્યારથી સમકિત પોતાનો દોષ દેખાય ત્યારથી સમકિત થયું કહેવાય. પોતાનો દોષ દેખાય ત્યારે જાણવું કે પોતે જાગૃત થયો છે, નહીં તો બધું ઊંઘમાં જ ચાલે છે. દોષ ખલાસ થયા કે ના થયા, તેની બહુ ચિંતા કરવા જેવી નથી પણ જાગૃતિની મુખ્ય જરૂર છે. જાગૃતિ થયા પછી નવા દોષ ઊભા થાય નહીં ને જૂના દોષ હોય તે નીકળ્યા કરે. આપણે એ દોષોને જોવાના કે કેવી રીતે દોષો થાય છે! જેટલાં દોષો દેખાય તેટલાં વિદાયગીરી લેવા માંડે. જે ચીકણા હોય તે બે દહાડા, ત્રણ દહાડા, પાંચ દહાડા, મહિને કે વર્ષે પણ એ દેખાય એટલે (પા.૨૨) ચાલવા જ માંડે. અરે, ભાગવા જ માંડે. ઘરમાં જો ચોર પેઠો હોય તો તે ક્યાં સુધી બેસી રહે ? માલિક જાણતો ન હોય ત્યાં સુધી. માલિક જો જાણે તો તરત જ ચોર નાસવા માંડે. હજુ સૂક્ષ્મમાં તો પહોંચ્યા જ નથી. આ તો બધું હજુ સ્થૂળમાં છે. દાદાના જીવનપ્રસંગોની ખાસિયત પ્રશ્નકર્તા : બરાબર છે દાદા, પણ આ આપના જીવન પ્રસંગોનો જે દ્રષ્ટાંત આપ્યા તે જો પરમાર્થમાં લેવાય તો અમારું તો કલ્યાણ થઈ જાય ! આ કંઈ લૌકિકની વાતો આપની પાસે હોતી નથી. દાદાશ્રી : બરાબર છે. એટલે જો લૌકિક સમજ હોય ને, તોય બહુ થઈ ગયું, ઘરમાં શાંતિ થઈ જાય. વગર કામની, અથડામણ એની જ થાય છે બધી ! પ્રશ્નકર્તા : એવા બીજા અનુભવો કહો ને, આપ. દાદાશ્રી : બહુ અનુભવો થયેલા, કેટલા કહું તમને ? પ્રશ્નકર્તા : જેટલા યાદ આવે એ. દાદાશ્રી : એ તો વાત અહીં નીકળે ત્યારે સાચું. આ તો ટેપરેકર્ડ છે, તે નીકળે ત્યારે નીકળે, નહીં તો ના નીકળે. પ્રશ્નકર્તા : નીકળે તો નીકળવા દો. સાંભળીને બધાને બહુ આનંદ થાય છે. દાદાશ્રી : હા, આનંદ તો થાય ને ! પણ આમાં એવું છે ને, કે આ બધી જાગૃતિ આવવી જોઈએ. આમ પોલંપોલ કેમ ચાલે ? પ્રશ્નકર્તા : બીજા બધા ઉપદેશ કરતા આ અનુભવના પ્રસંગો એ બહુ ઉપયોગી છે. દાદાશ્રી : તેથી આપણા પુસ્તકોમાં, આપણી જે આપ્તવાણીઓ છે ને, તેમાં બધા અમારા જીવનપ્રસંગો આવે છે ને, એટલે લોક કહે છે, ‘આ પ્રસંગોથી જ સમજીને અમે બહુ આગળ વધી ગયા છીએ હવે.’ પ્રશ્નકર્તા : ફિટ થઈ જાય ને ! દાદાશ્રી : હા, ફિટ થઈ જાય ! પ્રત્યક્ષ જ્ઞાનીને પૂછી પૂછીને જ પ્રગતિ પ્રશ્નકર્તા : એટલે આપ ઘણી વખતે કહો છો કે અમારી હાજરીમાં પ્રત્યક્ષ કરી લો. દાદાશ્રી : એ જ અમે કહીએ છે ને કે અમારી હાજરીમાં પ્રત્યક્ષ એટલે, તમને તમારો જે અનુભવ થયો હોય, એ તમારો અનુભવ ગૂંચાતો હોય એટલે અમારા અનુભવથી પૂછી લો એટલે તમારો અનુભવ ગૂંચાતો નીકળી જાય. એ અનુભવ તમને ફીટ થઈ ગયો. બસ, એ જ કરી લેવાનું છે. અમારી પાસે અનુભવનો સ્ટોક (જથ્થો) છે. તમારે અનુભવ થતાં આવે છે હવે. આ સાચું કે તે સાચું એ પૂછી લીધું એટલે નિવેડો આવી ગયો. પ્રશ્નકર્તા : બસ, એટલે જે કંઈ ગૂંચવણ પડતી હોય કે જે કંઈ એ થતું હોય, તે આપની પાસે પૂછી અને એનો નિકાલ લાવી દેવો પછી ! દાદાશ્રી : હા, તે રાત્રે પૂછી લો, દહાડે પૂછી લો, એટ એની ટાઈમ (ગમે ત્યારે) પૂછી લો. એવું કંઈ નથી હોતું ભઈ, ત્રણ વાગે જ પૂછવા. આ મૂહુર્તવાળી ચીજ ન્હોય. મૂહુર્તવાળી ચીજ બહાર, અહીં તો રાતે અગિયાર વાગેય આવીને ગૂંચવણનો ઉકેલ બધો પૂછાય ! આ જે રસ્તો બતાવ્યો એ જ રસ્તો છે. જે રસ્તે હું આવ્યો છું, એ રસ્તો મેં તમને આપી દીધો છે. મારો અનુભવનો જ રસ્તો આપ્યો છે. શાસ્ત્રમાં હોય નહીં આ અનુભવનો રસ્તો કોઈ જગ્યાએ. એક પણ શબ્દ એવો નથી શાસ્ત્રમાં કે જે અનુભવનો રસ્તો હોય, ને આ કાળના લોકોને કામ લાગે ! જય સચ્ચિદાનંદ |