‘જ્ઞાન’ પછી પુરુષાર્થ માટે અભ્યાસ સંપાદકીય અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીની કૃપાથી આપણને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું, અને જ્ઞાન મળતા જ ૧૦૦ ટકા ‘હું આત્મા છું’ એની પ્રતીતિ બેસે છે, ૧૫ ટકા જાગૃતિ ને ૨ ટકા અનુભવ થાય છે. ખરેખર પોતે આત્મા છે, આખા બ્રહ્માંડને પ્રકાશમાન કરવાની ક્ષમતા ધરાવે છે, અનંત શક્તિનો ‘પોતે’ ધણી છે, છતાં આ બધી લાચારી, દુઃખો, નિઃસહાયતા અનુભવે છે એ કેટલી અજાયબી છે ! એનું કારણ શું ? પોતાનું સ્વરૂપ, પોતાની શક્તિ, પોતાની સત્તાનું જ પોતાને ભાન નથી. હજુ એ સંપૂર્ણ આત્માનુભવ કરવા આગળના અભ્યાસની જરૂરિયાત છે. આ સંસાર એ અજ્ઞાન અભ્યાસનું પરિણામ છે. હવે પૂજ્ય દાદાશ્રીએ આપેલ પાંચ આજ્ઞાના અભ્યાસે કરીને સંસારથી છૂટી જવાશે. તેમ છતાં પ્રકૃતિ એનો ભાગ ભજવ્યા વગર રહેવાની નથી, એ છોડવાની નથી. હવે આપણે પુરુષ પદે રહી, આજ્ઞારૂપી પુરુષાર્થ માંડવાનો છે. પાંચ આજ્ઞા જેટલી મહીં પળાય એટલી જાગૃતિ ઉત્પન્ન થાય, જાગૃતિ એ જ પુરુષાર્થ છે. દાદાશ્રી હવે આ જ્ઞાનમાં આગળ વધવા, માટે આજ્ઞાના અભ્યાસ પર ભાર મૂકે છે. અભ્યાસને બીજા શબ્દમાં કહીએ તો હેન્ડલ મારવું, પ્રેક્ટિસ પાડવી. હવે આ ભવે, એકાવતારી પદ પમાય એવું જ્ઞાન મળ્યા પછી આત્મા અનુભવથી માંડીને સ્પષ્ટવેદન પ્રાપ્તિની ક્ષપક શ્રેણીઓ માંડવાની છે. સંસારની બાકીની જવાબદારી પૂરી કરતાં કરતાં એટલે કે નિશ્ચયમાં રહીને શેષ વ્યવહાર પૂરો કરતાં કરતાં આ લક્ષને પામવાનું છે. પૂજ્ય દાદાશ્રીએ મહાત્માઓની વ્યવહારની મૂંઝવણો, આજ્ઞામાં રહેવાની મુશ્કેલીઓ તેમજ જાગૃતિમાં કઈ રીતે રહેવું તેના ખુલાસાઓ વાણીમાં ઠેર ઠેર કરેલા છે. પ્રસ્તુત અંકમાં ‘અભ્યાસ’ શબ્દની છણાવટ કરેલી છે. જેમાં અભ્યાસ કોને કહેવો, અભ્યાસ શેનો કરવો, કેવી રીતે કરવો, અનાદિના અભ્યાસને કેવી રીતે ફેરવવો, અભ્યાસ-અધ્યાસની પરિભાષા, સત્સંગ ને વાંચનનો અભ્યાસ, પદનો અભ્યાસ, નિદિધ્યાસન, વિવિધ અભ્યાસની રીતો, અભ્યાસથી તપમાં આનંદ, શું અભ્યાસ એ જ પુરુષાર્થ છે, શું અભ્યાસ એ જ જાગૃતિ છે તેમજ પોતાના સ્વરૂપનો અનુભવ થવા માટે કેવી રીતે પ્રેક્ટિકલી આજ્ઞા પાળવાનો અભ્યાસ કરવો એની સચોટ સમજણ અત્રે પ્રસ્તુત થઈ છે. હવે મહાત્માઓ એનો સમજીને અભ્યાસ કરીને રોજિંદા વ્યવહારમાં પાંચ આજ્ઞાનો ઉપયોગ કરી, સ્વપદ અનુભવની શ્રેણી માંડે એ જ અભ્યર્થના. ~ જય સચ્ચિદાનંદ. ‘જ્ઞાન’ પછી પુરુષાર્થ માટે અભ્યાસ જાગૃતિ માટે ખપે આજ્ઞાનો અભ્યાસ પ્રશ્નકર્તા :અમે જ્યારે જ્યારે અમારા વ્યવહારમાં ને વર્તનમાં આવીએ છીએ, ત્યારે ‘હું શુદ્ધાત્મા છું’ કે ‘ચંદુલાલ છું’ એની કંઈ જ સમજ પડતી નથી. દાદાશ્રી : એ સમજી લેવાની જરૂર છે. ‘તમે’ ચંદુલાલેય છો ને ‘તમે’ ‘શુદ્ધાત્મા’ય છો ! ‘બાય રિલેટિવ વ્યુપોઈન્ટ’થી તમે ‘ચંદુલાલ’ ને ‘બાય રિયલ વ્યુ પોઈન્ટ’થી તમે ‘શુદ્ધાત્મા’ છો ! ‘રિલેટિવ’ બધું વિનાશી છે. વિનાશી ભાગમાં તમે ચંદુલાલ છો ! વિનાશી વ્યવહાર બધો ચંદુલાલનો છે અને અવિનાશી તમારો છે ! હવે ‘જ્ઞાન’ પછી અવિનાશીમાં તમારી જાગૃતિ હોય. પ્રશ્નકર્તા : જ્ઞાનની જાગૃતિ સતત રાખવા માટે બીજા કોઈ અભ્યાસની જરૂર ખરી ? દાદાશ્રી : સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ પછી તમારે કરવાનું શું? તમારે હવે ઉપયોગ રાખવાનો. અત્યાર સુધી આત્માનો ‘ડાયરેક્ટ’ (સીધો) શુદ્ધ ઉપયોગ હતો જ નહીં. પ્રકૃતિ જેમ નચાવતી હતી, તેમ તમે નાચતા હતા. અને પાછા કહો કે ‘હું નાચ્યો ! મેં આ દાન કર્યું, મેં આમ કર્યું, તેમ કર્યું, આટલી સેવા કરી!’ હવે તમને આત્મા પ્રાપ્ત થયો, એટલે તમારે ઉપયોગમાં રહેવાનું. હવે તમે પુરુષ થયા ને તમારી પ્રકૃતિ જુદી પડી ગઈ. પ્રકૃતિ એનો ભાગ ભજવ્યા વગર રહેવાની નહીં, એ છોડવાની નથી. અને તમારે પુરુષે પુરુષાર્થમાં રહેવાનું એટલે કે પુરુષે પુરુષાર્થ કરવાનો. પ્રશ્નકર્તા : પુરુષે પુરુષાર્થ શું કરવાનો હોય છે? દાદાશ્રી : આ આજ્ઞારૂપી, બીજો કયો ? તમારે આજ્ઞારૂપી, મારે આજ્ઞા વગર. એની એ જ વસ્તુ મારે આજ્ઞા વગર થાય, તમારે આજ્ઞાથી થાય. છેવટે પછી આજ્ઞા જતી રહેશે ધીમે ધીમે અને તેનું મૂળ (સહજ નિરાલંબ દશા) રહી જશે, જેમ જેમ પ્રેક્ટિસ (અભ્યાસ) પડશે તેમ તેમ ! પ્રશ્નકર્તા : આપ જ્યારે કહો છો કે ચાવીઓ બધી તમારી પાસે છે. અમારો નિશ્ચય છે કે આજ્ઞામાં રહેવું છે, તો અમારી જે અજાગૃતિ છે તે કેમ લંબાય છે ? દાદાશ્રી : જાગૃતિ તો લાવવી જોઈએ ને ! જાગૃતિ તો વધારવી જોઈએને આપણે. એ જ પુરુષાર્થ છે ને ! જાગૃતિ એ જ પુરુષાર્થ છે. બીજો કોઈ પુરુષાર્થ નથી. એ પાંચ આજ્ઞા જેટલી મહીં પળાય ત્યારે તેટલી જાગૃતિ ઉત્પન્ન થાય, નહીં તો જાગૃતિ શેની ઉત્પન્ન થાય ? આજ્ઞાઓ નથી પાળતા તેથી જાગૃતિ ઓછી છે ! થોડોક (આજ્ઞા પાલનનો) અભ્યાસ જ કરવાની જરૂર છે. અભ્યાસ-અધ્યાસની પરિભાષા પ્રશ્નકર્તા : દાદા અભ્યાસ એ શું છે ? દાદાશ્રી : અભ્યાસ એટલે દાક્તરે તમને એમ કહ્યું કે જમણા હાથથી તમે જમશો નહીં. તોય પાછો જમણો હાથ પેસી જાય. માટે શું કહે છે ? પેલો ‘અભ્યાસ કરો’ તો પછી એ નહીં પેસે. શું કહે છે ? અભ્યાસ કરો. કારણ કે અનાદિનો અન્ભ્યાસ છે. એટલે અભ્યાસ કરે તો પછી રાગે પડે કે ના પડે ? પ્રશ્નકર્તા : અધ્યાસ અને અભ્યાસ જરા સમજાવો. દાદાશ્રી : ‘હું ચંદુભાઈ છું’ એ દેહાધ્યાસ, ‘હું પટેલ છું’ એ દેહાધ્યાસ, ‘હું કાળો છું’, ‘હું ગોરો છું’ એ બધા દેહાધ્યાસ છે. (પા.૫) આખા જગતને દેહાધ્યાસ છૂટે નહીં અને પોતાના સ્વરૂપમાં રહી શકે નહીં. આ તમે સ્વરૂપમાં રહ્યા એટલે ઈગોઈઝમ ગોન (અહંકાર ગયો), મમતા ગઈ. ‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષ બેઠું, ત્યાંથી કોઈ જાતનો અધ્યાસ ના રહ્યો. હવે કશું રહ્યું નથી. તોય ભૂલચૂક થાય ને, તો સહેજ ગૂંગળામણ થાય. હવે એ દેહાધ્યાસમાંથી છૂટવાનો અભ્યાસ કરો, એ અભ્યાસમાં લાવો ત્યારે આત્મા પ્રાપ્ત થાય. અભ્યાસ શેનો કરવાનો ? પ્રશ્નકર્તા : ગીતાનો શ્લોક છે, એમાં અર્જુનને કૃષ્ણ ભગવાન કહે છે કે ‘જેમ જેમ અભ્યાસ વધે, તેમ તેમ તું મારા સચ્ચિદાનંદ સ્વરૂપને પામી શકીશ,’ તે સમજાવો. દાદાશ્રી : અભ્યાસ શેનો કરવાનો છે ? ત્યારે કહે, અધ્યાસ છોડવાનો. આ દેહાધ્યાસને છોડવાનો અભ્યાસ કરવાનો છે અને સ્વ-સ્વરૂપને પ્રાપ્ત કરવાનો અભ્યાસ કરવાનો છે. આ બે અભ્યાસ કરવાના છે. હવે એ કૃષ્ણ ભગવાને કહ્યું, તે અભ્યાસ સહુ સહુની ભાષામાં લઈ ગયા લોક. હાયર સ્ટાન્ડર્ડ (ઉચ્ચ ધોરણ)નો, લોઅર સ્ટાન્ડર્ડ (નીચ ધોરણ)નો કે કૉલેજનો અભ્યાસ કરવાથી સચ્ચિદાનંદ સ્વરૂપ ના થાય. ભગવાને ગીતામાં કહ્યું છે કે ‘અભ્યાસ કરજે.’ તે અત્યારે ગીતાનો એટલો બધો અભ્યાસ કર્યો કે અભ્યાસનો જ અધ્યાસ થઈ ગયો. અધ્યાસ છોડવા માટે ભગવાને અભ્યાસ કરવાનો કહ્યો, તો અભ્યાસનો જ અધ્યાસ થઈ ગયો ! અભ્યાસ એ અંદરનો પુરુષાર્થ પ્રશ્નકર્તા : શું અભ્યાસ એ જ પુરુષાર્થ ? દાદાશ્રી : આ જે લોકો અભ્યાસ કરે છે ને, એ તો એની પોતાની સ્થૂળ ભાષામાં લાવ્યા છે એ અભ્યાસને, અભ્યાસ તો અંદરનો પુરુષાર્થ છે એક જાતનો. શું છે ? પ્રશ્નકર્તા : પુરુષાર્થ ! દાદાશ્રી : હંઅ, એ અભ્યાસ મોટામાં મોટો પુરુષાર્થ કહેવાય અને એ અભ્યાસ જો પુરુષાર્થ ના થયો તો અધ્યાસરૂપે પરિણામ પામશે. હવે પૂર્વના અભ્યાસથી આ ચંદુભાઈએ કો’કને ગાળ દીધી, તે ઘડીએ તમારી પાસે જ્ઞાન છે, તમે જે બધું વાંચ્યું છે અત્યાર સુધી, એ જ્ઞાન અંદર શું કહે તમને ? ‘અરેરે.. આ ગાળ શા માટે દીધી ?’ તે તમને પસ્તાવો થાય એ અભ્યાસ. ગાળ ચંદુભાઈ દે અને તમે પસ્તાવો કરો એ અભ્યાસ. એ અભ્યાસ થાય તો તેનું નામ પુરુષાર્થ કહેવાય. ગ્રહણ કરવું એ જ શુદ્ધાત્માનો અભ્યાસ પ્રશ્નકર્તા : આ અભ્યાસમાં વિચારતા રહેવાથી જાગૃતિ આવે ? દાદાશ્રી : વિચારતા રહેવાથી જાગૃતિ આવતી નથી. વિચારાય જ નહીં, વિચારવું એ તો જોખમ છે. ચંદુભાઈ વિચારે તેને તમારે જોયા કરવાનું, શું વિચાર કરે છે ને શું નહીં ! ગ્રહણ કરવાથી જ જાગૃતિ થાય છે. વિચારમાં તો વસ્તુ પરોક્ષ રહે છે. એ ગ્રહણ કરવામાં વસ્તુ પ્રત્યક્ષ થાય છે. સાંભળતા રહેવાથી અને વિચારતા રહેવાથી તો વસ્તુની પ્રાપ્તિ થતી નથી. ગ્રહણ કરવાનો જ અભ્યાસ કરવો જોઈએ. ગ્રહણ કરવું એટલે શું કે પોતે ‘હું શુદ્ધાત્મા છું’ એ જ અભ્યાસ રાખવાનો. એ જાગૃતિમાં રહેવું જોઈએ અને જાગૃતિમાં બીજું શું રહેવું જોઈએ ? સામાનામાં પણ શુદ્ધાત્મા છે. ભલે એણે જ્ઞાન લીધું હોય કે ના લીધું હોય પણ એના પેકિંગ (ખોખા)ને આપણે સમજીએ અને એના માલનેય આપણે સમજીએ. ના સમજીએ? એટલે તમને ચંદુભાઈને (પા.૬) નગીનભાઈ ગાળ ભાંડે તો તમારે આ ચંદુભાઈ શું કરી રહ્યા છે, એ જોયા કરવાનું. નગીનભાઈ શું કરી રહ્યા છે તેય જોયા કરવાનું. નગીનભાઈના આત્માને શુદ્ધ જ માનવો. એ કરે છે એવું નહીં કહેવાનું. આ ઉદયકર્મ લડે છે. કોણ લડે છે? બન્ને ઉદયકર્મના પાડા લડે છે. બન્નેને જોવાની જરૂર છે. અભ્યાસમાં નિરંતર જાગૃતિ જોઈએ પ્રશ્નકર્તા : આપણે કાલે જે વાત કરતા’તા, ‘અભ્યાસેન વૈરાગ્યેન.’ એટલે ‘અભ્યાસેન’ એ જે કીધું એ અભ્યાસ નિરંતર જાગૃતિ, એ જાગૃતિનો અભ્યાસ કરવાનો ? દાદાશ્રી : ના, એ જાગૃતિ હોય તો અભ્યાસ થાય. આપણે જે અભ્યાસ કરવો હોય, તે થાય. દરેકમાં ખપે અભ્યાસ પ્રશ્નકર્તા : આ એટલું બધું સહેલું નથી, દાદા. આપણે તો નક્કી કર્યા કરીએ, પણ જાગૃતિ આવે ને ઊડી જાય, આવે ને ઊડી જાય. બહુવાર ટકે નહીં. પેલું પદમાં ઉપયોગ રાખ્યો હોય ને, એટલે આમ બે લીટી પછી પાછું બીજે કંઈ જતું રહે. દાદાશ્રી : શું ઊડી જાય ? જતું રહે પણ થાય છે ખરું ને ? પ્રશ્નકર્તા : હા, થાય છે ને ! દાદાશ્રી : એ પ્રેક્ટિસ અભ્યાસ પડી નથી ત્યાં સુધી તો એવું જ લાગે ને ! એ તો આપણને હજામતની પ્રેક્ટિસ ના આવડે, ત્યાં સુધી લોહી નીકળ્યા કરે. માટે લોક બૂમ પાડે કે ‘ભઈ, હજામત કરવાથી લોહી નીકળે છે.’ એવું બોલે તો ખોટું દેખાય ને ! કારણ કે પ્રેક્ટિસ પડી નથી. પણ ચંદુને કહું છું એ કાયમનું છે ? શુદ્ધ ઉપયોગ રહેતો નથી એ બધું કાયમની વસ્તુ છે ? પ્રશ્નકર્તા : ના, ના. દાદાશ્રી : એની પ્રેક્ટિસ પડ્યા પછી ? પ્રશ્નકર્તા : પછી કાયમ થઈ જશે. દાદાશ્રી : હંઅ, ત્યારે એ હજામતના જેવું. પ્રશ્નકર્તા : ખરું, દાદા. તમે હમણાં જે ભાર આપવા માંડ્યો પછી એ બાજુ આખો અમે ભાર આપીએ છીએ. પહેલા આવું બધું ગાફેલપણામાં જતું રહેતું હતું. દાદાશ્રી : એ તો ધીમે ધીમે હજુ બહુ આગળ વધવાનું છે, થોડું થોડું કરીને. પ્રશ્નકર્તા : એટલે અમારે પ્રેક્ટિસથી શુદ્ધ ઉપયોગમાં રહેવું પડે. દાદાશ્રી : હંઅ. બધું અભ્યાસથી જ તે એની મેળે સહજ થઈ જાય પછી. આ દાઢી કરીએ તે બ્લેડ નવી નવી હોય ને, તે કેટલીય જગ્યાએ લોહી કાઢે. પછી ધીમે ધીમે પ્રેક્ટિસથી અનુભવે પછી લોહી ના નીકળે, સહજ થઈ જાય. એમ આપણે હેંડતા હોઈએ ને આપણે ઉપયોગ દઈએ, તો રિલેટિવ અને રિયલ સહજ થઈ જાય. આ નાના છોકરાં કેવી રીતે હેંડતા શીખતા હશે ? પડે, ચાલે, વળી ઠેલણ ગાડી ઠેલે. આમ કરે, તેમ કરે પણ રાગે પડી જાય, એમ કરતા કરતા. પ્રશ્નકર્તા : કોઈ આંગળી પકડીને ચલાવે, દાદા. દાદાશ્રી : દરેકમાં અભ્યાસ કરવાની જરૂર. આ તમે બે-ચાર દહાડાથી અભ્યાસ કરવા માંડ્યો છે, હવે દસ દહાડા, પંદર દહાડા કરશો તો ઑલ રાઈટ (બરાબર) થઈ જશે. ગરજ હોય તો થાય અભ્યાસ (પા.૭) પ્રશ્નકર્તા : ગીતાજીમાં એ પ્રમાણે લખેલું છે કે ‘अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनंजय।’ દાદાશ્રી :બરોબર છે, અભ્યાસ ક્યારે થાય ? ગરજાઉં હોય તો. જેની ગરજ જાગે ને, તો અભ્યાસ એની મેળે જ થયા કરે. ગરજ જાગવી જોઈએ. ગરજ હોય તો એવો થઈ જાય કે ના થઈ જાય ? પ્રશ્નકર્તા :હા. દાદાશ્રી : પૈણવાની ગરજ જાગી હોય, એનો અભ્યાસ કરવો પડે ? પ્રશ્નકર્તા : દાદા, આ દાખલો નથી બંધબેસતો. પૈણવાની ગરજ હોય તો પૈણવાનું મળી જાય પણ શીલવાન થવાની ગરજ હોય તો શીલવાન બનાય નહીં. દાદાશ્રી : નહીં, પણ જ્યારે ત્યારે એ સિદ્ધિ પ્રાપ્ત કર્યા સુધી એ બેસી રહેતો નથી. છેવટે એ હાંસલ કરે છે. ગરજ જ નથી લોકોને, સંજોગોનુસાર ફરી જાય છે. ફરી ના જાય તો કશું જ અશક્ય નથી. કારણ કે શીલવાન થતા થતા તો કેટલી ટેસ્ટ એક્ઝામિનેશન (કસોટી) આવે. ત્યાં સુધી આ માણસ ન ફરી જાય એવું બને નહીં ને ! તન્મયાકારપણાના અભ્યાસે ખડો સંસાર આપણે તો ‘શુદ્ધાત્મા’ છીએ ને ‘ચંદુલાલ’ તો વળગણ છે. પણ અનાદિકાળનો પેલો અધ્યાસ છે, તેથી એ બાજુ ને એ બાજુ જ ખેંચી જાય છે. આજે તમો જે વર્તો છો તે ગયા અવતારના આધારે વર્તો છો અને આ અવતારનો તમારો અભ્યાસ જુદો છે, તે આ બેનું ઘર્ષણ થાય તેનું નામ સંસાર. અનાદિકાળથી જેના આધારે આ જગત ઊભું રહ્યું છે, સંસાર ઊભો રહેલો છે, તે આધાર તોડ તોડ કરવાનો છે. બીજું કશું નહીં, આધાર તોડ તોડ કરવાનો. હવે શેના આધારે જગત ઊભું રહ્યું છે ? ત્યારે કહે, મનના જે પર્યાયો છે, મનની જે અવસ્થાઓ છે, તેમાં આત્મા તન્મયાકાર થાય છે, તેથી સંસાર ઊભો રહ્યો છે. નથી બુદ્ધિ પજવતી કે નથી કોઈ પજવતું. એટલે મનના પર્યાયોને તોડ તોડ કરવા જોઈએ. આ ‘મારા ન હોય, મારા ન હોય’, ત્યાં જ બેઠાં બેઠાં હલાય હલાય જ કરવું જોઈએ. એ તોડ તોડ કરે કે છૂટો થઈ ગયો. અનાદિનો અભ્યાસ છે ને, તે છૂટો થવા દેતો નથી. તે એને મીઠાશ વર્તે છે. એ મીઠાશ શુદ્ધાત્માને નથી વર્તતી, એ અહંકારને વર્તે છે. એટલે એ તોડ તોડ કરવું પડે. બેને છૂટું જ જોવું પડે, તો જ ઉકેલ આવે. અનાદિના અધ્યાસથી પેસી જવાય પ્રશ્નકર્તા : મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકારનું અવલંબન લઈને ચાલીએ છીએ તોય કશો ફાયદો નથી, છતાંય વારંવાર લઈ લેવાય છે. દાદાશ્રી : તેય તમે લેતાં નથી પાછું. આ તો તમને લાગે છે એવું અને લાગે છે એ પ્રમાણે તમે જે બાજુ ઢળો, તે બાજુ સહીઓ થાય, સહી-સિક્કા થાય. પ્રશ્નકર્તા : પણ વારંવાર પાછી એ અમારી અવલંબન લેવાની અનાદિની ટેવ એટલી બધી ગાઢી છે. દાદાશ્રી : એ અધ્યાસ થઈ ગયેલો ને ! એ અધ્યાસ છૂટે ત્યારે ને! પ્રશ્નકર્તા : જાગૃતિ એટલી રહેતી નથી. દાદાશ્રી : એ અધ્યાસ થઈ ગયેલો છે પણ તે અધ્યાસની પાછળ છે તે આ જાગૃતિ છે ને તે તમે છો. અને આ અધ્યાસ છે તે અધ્યાસ છે. તમે તમારું કામ કરો, એ અધ્યાસ અધ્યાસનું કામ (પા.૮) કરે. પ્રશ્નકર્તા : બરોબર છે. અમે અમારું કામ કરીએ ને અધ્યાસ અધ્યાસનું કામ કરે, તો એ અધ્યાસવાળો જ મોળો પડી જાય. દાદાશ્રી : આપણું જ્ઞાન જ એવું કહે છે ને ! પ્રશ્નકર્તા : આપણું જ્ઞાન તો એવું સ્પષ્ટ કહે છે કે ‘આપણે કશું કરવું નહીં, કશું અનુમોદવું નહીં’ પણ તોય અંદર પેસી જવાય છે. દાદાશ્રી : હા, પેસી જવાય છે તેય હજુ પેસી જતાં નથી પણ ભાસે છે. પેસી જવું એ જુદી વસ્તુ છે અને ભાસવું એ જુદું છે. એવું આપણને ભાસે છે, એટલે આપણે એ બાજુ સહીઓ કરી આપીએ છીએ. એ ભાસે તોય આપણે સહી ના કરી આપીએ કે ઓહો, આ તો ભાસે છે, આવું બને જ કેમ કરીને ? છૂટવા માટે છે, પાંચ આજ્ઞાનો અભ્યાસ પ્રશ્નકર્તા : મનની બાબતમાં આવું બહુ થાય છે. વિચાર શરૂ થાય ત્યારે ખબર પડે છે અને વિચાર પતી જાય ત્યારે ખબર પડે છે. પાછળથી તે દેખાય છે પાછા, વચ્ચેનું કશું ખબર જ નથી પડતી. દાદાશ્રી : એ બધું ખબર પડશે. ધીમે ધીમે ખબર પડશે એટલે દેખાય. થોડો થોડો અભ્યાસ કરવાનો. એમ કરતાં કરતાં સંપૂર્ણ દેખાતા જશે. ક્યાંક રસ્તો દેખાય તો તે આંખોથી જુએ છે, તે દ્રશ્ય ના કહેવાય. દ્રશ્ય તો અંદરની આંખોથી જોવાના, આ આંખે દેખાય જ નહીં. આ આંખો બહારનું જ જુએ અંદરનું જોઈ શકે નહીં. પ્રશ્નકર્તા : અંદરનું જોઈ શકવા માટે શું ? દાદાશ્રી : એ જ આપણે દ્રષ્ટિ આપેલી ને, આત્મદ્રષ્ટિ, પછી ધીમે ધીમે અભ્યાસ કરવાથી જોઈ શકાય. પ્રશ્નકર્તા : પછી કોઈ વિચારને જોવા બેસીએ ને, તો વિચારમાં બ્રેક (રુકાવટ) પડી જાય. દાદાશ્રી : બ્રેક થઈ જાય, પણ જોવા બેસીએ તો (વિચાર) ઓછા થઈ જાય ને ! એ તો ધીમે ધીમે અભ્યાસ કરતા રહેવાનું. અભ્યાસ કરતા કરતા જોવાય. આ તો બહુ એકદમ ના જોવાય. આ તો બહુ કચરો ભરેલો ને, એટલે એ તો દેખાય જ નહીં ને ! એ તો નીકળશે, એ કેટલાય વર્ષો થાય ત્યારે એ ઠેકાણે પડશે. આ સંસાર એ અભ્યાસનું પરિણામ છે. આ સંસારનો અભ્યાસ કર્યો, તેથી અધ્યાસ થઈ ગયો. અધ્યાસ શાથી થઈ ગયો? પેલો અભ્યાસ કર્યો તેથી અને ફરી આ અભ્યાસે કરીને છૂટી જાય.આ જે જ્ઞાન આપીએ છીએ ને, ત્યારે પાંચ આજ્ઞાઓ આપી છે તે અભ્યાસ માટે આપેલી છે. પહેલા હેન્ડલ મારવું પડે પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધા પછી પાંચ આજ્ઞા એ ખ્યાલમાં છે પણ એમાં જેવું રહેવું જોઈએ એવું રહેવાતું નથી. દાદાશ્રી : એ તો રહેવું જોઈએ ને ! આ અક્રમ વિજ્ઞાન છે તે બધું ચોખ્ખું કર્યા વગર લીધું છે. એટલે એ પાછલા હિસાબ આવે તે છે સફોકેશન (ગુંગળામણ) કરે. અમે તો શું કહ્યું કે આ જ્ઞાન લીધા પછી ચિંતા થાય તો જોખમદારી અમારી. પણ આ આજ્ઞા પાળવી જોઈએ. આજ્ઞા અઘરીય નથી. તમે પ્રેક્ટિસ કરવા માંડો. પ્રશ્નકર્તા : આજ્ઞાઓ ખ્યાલમાં હોય પણ જે (પા.૯) સહજભાવે થવી જોઈએ એ નથી થતી, એનું શું ? દાદાશ્રી : તમારે એ ધ્યાન દેવાની જરૂર. બાકી સહજભાવે ના થાય એવું અઘરું નથી. બહુ સહેલામાં સહેલી વસ્તુ છે, પણ ટેવ પાડવી જોઈએ. એનો પહેલા અભ્યાસ કરવો પડે. અત્યારે અન્અભ્યાસ છે ! અન્અભ્યાસ એટલે આપણે રિયલ અને રિલેટિવ જોવાનો અભ્યાસ જ નથી ને ! એટલે એક મહિનો તમે અભ્યાસ કરો પછી સહેજે થઈ જાય. એટલે પહેલાં હેન્ડલ (જોર) મારવું પડે. આ રિયલ અને આ રિલેટિવ, એ બહુ જાગૃતિવાળો ના મારે તો ચાલે. પણ આ લોકોને એટલી બધી જાગૃતિ હોતી નથી ને ! બહુ જાગૃતિવાળાને તો કશું જ કરવાનું નથી, હેન્ડલેય મારવાની જરૂર નથી. આ તો બધું સહજ રહે જ ! પ્રેક્ટિસ અત્યારે પાડ પાડ કરો. નહીં તો સહજ નથી એ વસ્તુ. કારણ કે નવું ઈન્જિન હોય ને, તેય ઘસારો ના પડ્યો હોય તો ચાલે નહીં. તે આપણે હેન્ડલ માર માર કરીને રાગે પાડવું પડે! આજ્ઞા પાળવી છે એવું નક્કી કરો પ્રશ્નકર્તા : પણ એ તો જે અભ્યાસ કરવાનો છે, એ અભ્યાસ તો રહેવો જોઈએ ને એ અભ્યાસ નથી રહેતો બરોબર ! દાદાશ્રી : ના રહે. એ સફોકેશન કરે પણ આપણે નક્કી કરવાનું કે મારે આજ્ઞા પાળવી છે. આ બીજા બીજા બળો અવળારૂપે બળ કરે તો પણ મારે પાળવું છે, એવું નક્કી કરવાનું. એટલે જવાબદારી તમારી નથી કોઈ. પછી જવાબદારી મારી આવે છે. તમે મારી આજ્ઞા પાળો એટલે જવાબદારી મારી આવે છે. તમારી જવાબદારીનો એન્ડ (અંત) થાય છે. પ્રશ્નકર્તા : ધારો કે આજ્ઞા ના પાળી શકાય કોઈ કારણને લીધે, તો શું કરવાનું? દાદાશ્રી : વાંધો નહીં, ના પાળી શકાય તો. એવી આપણી ઈચ્છા ના હોવી જોઈએ. ‘ના પાળી શકાય’ અને ‘ના પાળી શકું’ એમાં ફેર છે. આપણી ઈચ્છા આજ્ઞા પાળવાની જ હોવી જોઈએ. ન પાળી શકાય એ જુદી મેટર (વસ્તું) છે. એ તો અમે તમને વિધિ કરી આપીએ અને ક્ષમા કરાવડાવીએ, કારણ કે શક્તિ પ્રમાણે કરવાનું છે શક્તિની બહાર કૂદાકૂદ નથી કરવાની. રિલેટિવ-રિયલ જોવાનો અભ્યાસ પહેલા થોડા દહાડા અભ્યાસ પાડવો પડે. બધાનામાં શુદ્ધાત્મા જોવાનો અભ્યાસ પાડવો જોઈએ. રિયલ વસ્તુ એ શુદ્ધાત્મા છે, રિલેટિવ એ પુદ્ગલ છે. ખોખું જ છે એનું. એનું પેકિંગ છે. એ પેકિંગ ને વસ્તુનો બેનો અભ્યાસ પાડવો જોઈએ. એ પછી ઝાડ હોય, પાન હોય, બકરી હોય, વાઘ હોય, સિંહ હોય. અભ્યાસ પડ્યા પછી કશું અઘરું હોતું નથી. રિલેટિવ-રિયલ જોવાનો થોડો ઘણો અભ્યાસ ન કર્યો, બસમાં બેઠા બેઠા ? એ પાંચ આજ્ઞાઓ ધીમે ધીમે ધીમે પ્રેક્ટિસમાં લેવી પડે. પ્રશ્નકર્તા : પ્રેક્ટિસમાં લેવી પડે ? દાદાશ્રી : હા, પછી સહજભાવ રહ્યા કરે. સહજભાવ! હેંડતા-ચાલતા, ગાય-ભેંસ બધામાં આત્મા દેખાયા કરે. પહેલા અભ્યાસ કરવો પડે. અનાદિનો અનભ્યાસ છે ને ? પ્રશ્નકર્તા : એટલે જલદી... દાદાશ્રી : ના, એટલે આપણે પેલો આજ્ઞાનો અભ્યાસ કરવો પડે. પહેલા બીજનું અજવાળું થયું. હવે ધીમે ધીમે પૂનમ ભણી જયા કરે. તે આપણે થોડું કરવા લાગવું પડે. પેલું પંદર દહાડા, મહિના (પા.૧૦) સુધી, આપણે થોડું હોય ત્યાં સુધી, પછી છે તે એની મેળે જ થયા કરે. એટલે બને તો એક કલાક રિલેટિવ અને રિયલ જોવાનો અભ્યાસ કરજો. એમ જોતા જોતા જોતા એક કલાક કાઢો તો બહુ સારું રોજનું. બને ખરું ? પ્રશ્નકર્તા : અવશ્ય બને. દાદાશ્રી : હા, તો બસ એટલું જ કરો તો બહુ થઈ ગયું. તો તો ખલાસ થઈ ગયું. તો તો બધું જ વાળી-ઝૂડીને સાફ કરી નાખશે. એક કલાક રિલેટિવ ને રિયલ બેનું જોતા જોતા જોતા... ! સામાન્ય જ્ઞાનના અભ્યાસથી એટલે આ બિલકુલ સેફસાઈડવાળો માર્ગ છે, તમે જો અમારા કહ્યા પ્રમાણે સમજોને તો ! આપણે વકીલ ખોળવા નીકળ્યા હોય, તો એના વાળને જોઈએ કે એની વકીલાતને જોઈએ ? હા, અહીં આગળ કાળા દાબડા પહેરીને લાવ્યો હોય, એ દાબડાને આપણે શું કામ છે ? આપણે એની વકીલાત છે કે નહીં? તેવી રીતે આપણે આત્મા જોઈએ. જ્ઞાની પુરુષ આમ જતા હોય તો એ એવું ના જુએ કે આ બહેનો છે કે આ ભાઈઓ છે કે આ જાડો છે, આ પાતળો છે કે આ લૂલો છે કે આ લંગડો છે, એવું તેવું ના જુએ. શું જુએ ? ત્યારે કહે, સામાન્ય ભાવે આત્મા જ જુએ. વિશેષ ભાવ ના કરે. વિશેષ ભાવવાળો શું કરે ? ‘જો ને, લંગડો છે.’ એટલે બીજું જોવાનું અટકી ગયું. એક જ જોયું અને લાભ એકનો જ મળ્યો અને સો જણનો ગયો. વિશેષ ભાવ કર્યો. એટલે અમે સામાન્ય ભાવે બધું જોઈએ. વિશેષ પરિણામને ના જોઈએ કે આ ડાહ્યા છે ને આ અક્કલ વગરના છે અને આ મૂરખ છે અને આ ગધેડા છે, એવી ભાંજગડમાં અમે ક્યાં પડીએ ? પ્રશ્નકર્તા :એટલે જ આપ પેલો અભ્યાસ કરવાનો કહો છો ને કે કલાક દરેકને શુદ્ધાત્મારૂપે જોવાનો અભ્યાસ પાડવો જોઈએ. દાદાશ્રી : હા, જેટલો જેટલો અભ્યાસ કરે ને, એટલે પછી વિશેષ પરિણામ ઊડી જાય. વિશેષ પરિણામથી અભિપ્રાય ઊભા થાય. આ આંધળો છે અને આ લૂલો છે, એ તો પુદ્ગલની બાજી છે. અનાદિનો અભ્યાસ ફેરવવો પડે હવે શુદ્ધાત્માનું ધ્યાન રાખવું, ‘હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું’ મહીં બોલીએ થોડીવાર. કારણ કે બહુ કાળથી ‘હું ચંદુભાઈ છું’, ‘હું ચંદુભાઈ છું’ એવું ગા-ગા કરેલું ને, તેના પડઘા પડેલા. તે એનાં અનભ્યાસથી અને આનો અભ્યાસ કરવાથી અધ્યાસ થાય. આ અધ્યાસ તો ઊડી ગયો હવે, ‘હું ચંદુભાઈ છું’ એ દેહાધ્યાસ ઉડી ગયો. પ્રશ્નકર્તા : તો હવે જેટલી તન્મયતા એટલું કાચાપણું જ ને ? દાદાશ્રી : હા, એ જ તો ! તન્મયતા, બીજું કોઈ કારણ નહીં. ફક્ત જાગૃતિ મંદ થઈ જાય છે. જાગૃતિ મંદ કેમ ? ત્યારે કહે, પહેલાના અભ્યાસને લઈને. એટલે આપણે જરાક વધારે પડતું આમાં જાગૃતિ રાખીએ કે તરત બેસી જાય, છૂટું થઈ જાય. હું તો ગમે એવી તબિયત ખરાબ હોય તો લોક કહે, કે ‘આજ તો દાદા, તમારી તબિયત વીક (નરમ) છે.’ તો અમે કહીએ, ‘મને કશું થયું નથી. શું થવાનું છે આ ?’ પ્રશ્નકર્તા : એ જાણો તો અશાતા વેદનીય, શાતા વેદનીયમાં ફરી જાયને ? દાદાશ્રી : ફરી જાય ને તરત. વેદનીય ગુણ છે તે પાડોશીનો છે, આપણો વેદનીય ગુણ નથી. આપણે નિર્લેપ છીએ. નિર્લેપને કશું ના થાય. (પા.૧૧) આપણને ઉધરસ આવે તો એમ લાગવું જોઈએ કે ‘ઉધરસ ઉપડી છે.’ ‘મને ઉપડી’ એવું ના લાગવું જોઈએ. જોડેવાળાને ઉધરસ થાય છે, તે બહુ થઈ છે, એવું લાગવું જોઈએ. અનાદિનો પેલો અવળો અભ્યાસ એટલે પેલી ટેવ પડેલી. એટલે આપણે અનાદિનો અભ્યાસ ફેરવવો પડે ને ! જુદાપણાની જાગૃતિનો અભ્યાસ પ્રશ્નકર્તા : જ્યારે અમે તન્મયાકાર થઈ જઈએ એટલો વખત અમને શુદ્ધાત્મા પદનું ભાન નથી રહેતું ને ! દાદાશ્રી : શાથી નથી રહેતું પણ ? ‘હું તન્મયાકાર થઈ ગયો’ એટલે પેલું ભાન ખોવાઈ જાય. કોઈ માણસે દારૂ ના પીધો હોય છતાંય અમથો એમ કહે કે ‘હા, મેં તો આજ દારૂ પીધો છે’, તો એટલો વખત ચઢી જાય. એટલે દારૂડિયા જેવા લક્ષણ નીકળે, ના પીધો હોય છતાંય. પ્રશ્નકર્તા : પણ કેટલીક વખત એવા લેપાયમાન થઈ જઈએ છીએ ને, તો પૂરેપૂરું દારૂ પીધા જેવું જ દેખાય છે ! એનો સવાલ છે ને ! એટલે અમે કેવી રીતે જાતને નિર્લેપ કહીએ ? દાદાશ્રી : આપણે સમજી જવું કે આ હોટલ આપણી ન્હોય. એટલે બીજી કઈ હોટલ આપણી છે તે જડશે. દાદાએ કહી છે એ હોટલ (હોમ)માં આપણે ‘હું નિર્લેપ છું, શુદ્ધ જ છું’, મને આ કેમ હોય ? દ્રશ્ય ને દ્રષ્ટા એક ના હોય. તન્મયાકાર થયા છીએ એ દ્રશ્ય છે અને દ્રશ્ય પોતે કંઈ સમજી ના શકે કોઈ દા’ડો કે આ તન્મયાકાર થયો છું. એ તો દ્રષ્ટા જ જાણી શકે છે. જાણ્યું કોણે ? ત્યારે કહે, દ્રષ્ટાએ. તમે પોતે દ્રષ્ટા છો ! તોય ‘પોતાને’ ખ્યાલ ના આવે. કેવી અજાયબી કહેવાય! પ્રશ્નકર્તા : એવું કશુંક થાય છે, કે જેથી અમે દ્રશ્યનો ભાગ બની જઈએ છીએ. અમારું દ્રષ્ટાપણું તે વખતે ક્યાં ગયું ? દાદાશ્રી : ના. એવું છે ને, તમે લેબોરેટરીમાં ભણેલા, તો તે ચાર જ કલાકમાં તમે ભણી રહો છો બધું ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : એક ફેરો પ્રયોગ કરાવ્યો હોય તો ફરી કરો, તો મહીં કેટલુંય કંઈની કંઈ વસ્તુ નાખી દે બધી. એમાં આટલો ટાઈમ લાગે છે, તો અહીં ટાઈમ તો લાગે ને ! પ્રશ્નકર્તા : પણ તે વખતે હું દ્રષ્ટા તરીકે બાજુમાં બેઠેલો હોવો જોઈએ ને, જોનારો ? એ જોનારો અંદર ભેરવાઈ ગયો ! દાદાશ્રી : ના, એ તો જુદો બેઠેલો જ હોય છે. ભળી ગયા એવું તમને લાગે, ભાસે એવું, સહેજ પ્રેક્ટિસ પાડવી પડશે. પ્રેક્ટિસ પાડ્યા વગર કેમ ચાલે? અને જો ભળી ગયા તો છૂટો પડે નહીં, શી રીતે છૂટો પાડો પછી ? પાછું ભળે જ નહીં. આ તો બેઉના સ્વભાવ જુદા પડી ગયા ને! પોતપોતાના સ્વભાવમાં આવી ગયા ! પ્રશ્નકર્તા : ઘણી વખત જાગૃતિ રહે છે કે આ ‘મારું સ્વરૂપ ન્હોય’, સહજ રીતે રહે છે. ઘણી વખત જાગૃતિ રહેતી નથી અને તન્મયાકાર થઈ જવાય. દાદાશ્રી : હા, તો આવું કહે ને ! ‘મારું સ્વરૂપ ન્હોય’ એમ કહેવાનો અભ્યાસ કરીએ ને એટલે જાગૃતિ આવી જાય. એ અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસ વ્યવસ્થિતના જ્ઞાનમાં રહેવાનો આ તો આપણે ‘જ્ઞાન’ આપ્યું એટલે તન્મયાકાર થતું જ નથી. પછી પોતાને મનમાં (પા.૧૨) એમ લાગે કે ‘હું એકાકાર થઈ ગયો હોઈશ ?’ ના, એ તન્મયાકાર નથી થયો. પણ આ તો ખાલી શંકા પડેલી છે. બીજાને કેમ શંકા નથી પડતી ? બીજાને શંકા પડે ખરી ? ના. એ લોકોને ‘હું છૂટો છું’ એવું વિચારમાં જ નથી આવ્યું. એટલે તમે છુટ્ટા જ છો. અને તોય ‘હું તન્મયાકાર થઈ ગયો હોઈશ કે શું ?’ તે શંકા પડી તોય ભગવાન ‘લેટ-ગો’ (જતું) કરે છે. પણ છેવટે એ ધીમે ધીમે અભ્યાસે કરીને, એય શંકા ના પડવી જોઈએ, એમ ભગવાન કહે છે. પ્રશ્નકર્તા : આ ચંદુલાલથી જે ડખલ થઈ જતી હોય તો એ એનો અધ્યાસ કહેવાય ? દાદાશ્રી : ના, અધ્યાસ નહીં. ત્યાં આગળ એ જ્ઞાનની જાગૃતિ મંદ થઈ ગઈ હોય. કોઈ આવે તો, ‘તું કેમ અહીંયા આવ્યો છું ?’ એ થયું એટલે ડખો કર્યો કે ડખલ ઊભી થઈ. ડખો કરવાનો નહીં, તે વખતે. પ્રશ્નકર્તા : તો અમારે તો ફક્ત ‘વ્યવસ્થિતના જ્ઞાનમાં રહેવાની અમને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો.’ એમ જ ‘દાદા’ પાસે માંગવાનું ને ? દાદાશ્રી : એ શક્તિ આપો, એ શક્તિ માંગવાની ખરી, પણ પાછું અભ્યાસમાં લેતા જવું. અભ્યાસમાં આ આખો દહાડો ના થાય, પણ બે કલાક થઈ જાય. આપણે નક્કી કરીએ કે બે કલાક મારે કશું કોઈ રીતે ડખો કરવો નથી, વ્યવસ્થિતના જ્ઞાનમાં રહેવું છે. પ્રશ્નકર્તા : હા, તો એ થઈ જાય. દાદાશ્રી : એમાં પછી પ્રકૃતિ વ્યવસ્થિતને તાબે છે, એવું એને જુદી જુએ તો પછી આત્માની શક્તિ વધતી જાય અભ્યાસથી. ‘ચંદુભાઈ’ જે છે એ તમારું ઉદય સ્વરૂપ છે. એટલે એ જે છે તે આખુંય વ્યવસ્થિતને તાબે, એટલે જે કરે એ તમારે ‘જોયા’ કરવાનું. ચંદુભાઈને પ્રેરણા આપે તેય વ્યવસ્થિત શક્તિ આપે છે અને તમારે જોયા કરવાનું કે ‘ચંદુભાઈ શું કરી રહ્યા છે !’ વ્યવહાર તો વ્યવસ્થિત ચલાવે છે, તમારે જોયા જ કરવાનું છે. ફક્ત તમને ધીરજ રહેતી નથી. અને ધીરજ રહેવી એકદમ તો બને જ નહીં ને ! કારણ કે ઘણા કાળથી ધીરજ રહેતી નથી ને ! એટલે થોડા દહાડા અભ્યાસ કરવો પડે. દોષદ્રષ્ટિ સામે ખપે નવી પ્રેક્ટિસ વ્યવસ્થિત ધીમે ધીમે સમજાય. કારણ કે વ્યવસ્થિત કૃપા માગે, કૃપા જોઈએ. કારણ કે રિલેટિવમાં, લોકોના દોષ જોવા અને પોતાના દોષ ન દેખાય એવો ત્યાં આગળ કાયદો હોય છે. કેવું ? જ્યારે અહીં આગળ કોઈનો દોષ જોવાય નહીં, પોતાના જ દોષ જોવાના એવો કાયદો હોય છે. જો આટલા કાયદામાં રહે તોય સુખ જાય નહીં. આવો એક કાયદો પાળે ને, તોય મહીંથી સુખ જાય નહીં. દોષ ના દેખાય, અને ઈમોશનલને લઈને દેખાય તો પ્રતિક્રમણ કરવું. એ ના દેખાયા બરોબર જ અમે એક્સેપ્ટ (સ્વીકાર) કરીએ છીએ. એ સહેલું નથી લાગતું તને ? પ્રશ્નકર્તા : બહુ મુશ્કેલ છે, દાદા. પણ આપણને જે સામાના દોષો દેખાય છે, તે ઈમોશનલ થવાથી દેખાય છે ? દાદાશ્રી : ના, ના, આ તો પહેલાની ટેવ રહી ગઈ છે. એના એ દેહે જ્ઞાન મળ્યું છે ને, એટલે પહેલાની પ્રેક્ટિસ જે છે તે પ્રેક્ટિસ છૂટતી નથી. એટલે આપણે હવે એ પ્રેક્ટિસ મૂકવી પડે. પ્રશ્નકર્તા : બરાબર, પણ આપે જ્યારે (પા.૧૩) જ્ઞાન આપ્યું ત્યારે અહંકાર તો આમ લગભગ ઝીરો જેવો જ થઈ ગયો. એ દ્રઢ થઈ ગયું કે હું ‘શુદ્ધાત્મા જ છું’, તો પછી એ ટેવ કેવી રીતે કામ કરી જાય છે ? દાદાશ્રી : આ તો પ્રેક્ટિસ કરવાની છે, જૂની પ્રેક્ટિસ છૂટે નહીં ને ! તે હવે નવી પ્રેક્ટિસ કરવી પડે આપણે. આ આજ્ઞા તરીકે પાંચ વાક્યો તેથી આપ્યા ને ! આ નવી પ્રેક્ટિસ, એ જૂની પ્રેક્ટિસ. આ દેહ ને મન-વચન એ જૂની પ્રેક્ટિસ પ્રમાણે, ઘરેડ પ્રમાણે જ ચાલ્યા કરવાના છે. આપણને એ ખપે નહીં હવે.અને કોઈનો દોષ દેખાયાથી ફાયદો શું છે ? ઊલટું પોતાનું સુખ ખોવાય જાય છે. એટલે પાંચ આજ્ઞા પાળો તો સહજભાવે બધું ઉકલ્યા કરે. પ્રશ્નકર્તા : આ પાંચ આજ્ઞામાં રહેવું છે, એવો જે ભાવ કરે અને આજ્ઞાને બરોબર સમજી લે, તો એ બેમાં ફળ કોનું વહેલું મળે ? દાદાશ્રી : આજ્ઞા સમજી લે ને, તે એના જેવું તો એકુંય નહીં ! સમજ્યા પછી એની મેળે સહેજે પળાય. અને સમજ્યા વગરની આજ્ઞા પાળવા જાય તો ભલીવાર ના આવે. છતાંય મહાત્માઓ કંઈક ને કંઈક કરશે, એની પાછળ પડ્યા છે ને ! પ્રશ્નકર્તા : મને ખેદ રહ્યા કરે છે કે દાદાનું જ્ઞાન મળ્યા પછી સમભાવે નિકાલ કેમ નથી કરી શકતો ? દાદાશ્રી : તારે સમભાવે નિકાલ કરવો છે, એવો તારો નિશ્ચય જોઈએ. ના રહેવાય તેને માટે અમે તને લેટ ગો કરીએ છીએ ને ! આ ફાઈલનો નિકાલ કરતી વખતે એ નિશ્ચયને તે ઘડીએ ભૂલી જઉં, એવી અજાગૃતિ ના હોવી જોઈએ. ત્યાં પુરુષાર્થ ધર્મ જોઈએ. ભૂલી જવું ના જોઈએ. આમ ખસેડીને સમું કરવું પડે પ્રશ્નકર્તા : એ એટલો જ વાંધો આવે છે, કે સામો ગાળ ભાંડે ત્યાં સમભાવ નથી આવતો. દાદાશ્રી : એ વાંધો હવે નહીં આવે. હવે બોલીશ નહીં પાછું. પહેલાં ચંદુભાઈ હતો ને, ત્યારે વાંધો આવતો હતો. તે હવે તું શુદ્ધાત્મા થયો, આખો જ ફેર થઈ ગયો તારામાં. એટલે હવે વાંધો ના આવે. એય વ્યવહારથી, બાય રિલેટિવ વ્યુ પોઈન્ટથી એ નામથી છે અને રિયલ વ્યુ પોઈન્ટથી શુદ્ધાત્મા છે. જો એ શુદ્ધાત્મા છે, તો એ જે ગાળ ભાંડે છે એ તો રિલેટિવ કરે છે. અને તે ગાળ તમને નથી કહેતા પાછાં, આ રિલેટિવને કહે છે. એટલે પુદ્ગલની કુસ્તી કર્મને આધીન થાય છે, એને જોયા કરો. બે પુદ્ગલ કુસ્તી કરે, તેને તમે જોયા કરો. કોણ જીત્યું ને કોણ હાર્યું ને કોણે લપડાક મારી, એ જોયા કરો. ના જોવાય ? બહાર કુસ્તીઓ જોવા નહીં ગયેલો ? તે હવે આ જોજે. એટલે આ પુદ્ગલની કુસ્તી, તે પેલાના પુદ્ગલને તારું પુદ્ગલ બાઝે એ કર્મના ઉદયને આધીન, એમાં કોઈનો ગુનો ખરો ? એ શુદ્ધ જ દેખાવું જોઈએ. એવું કશું દેખાય છે કે નથી દેખાતું તમને ? પ્રશ્નકર્તા : એ જ હજી વાંધો આવે છે, ત્યાં સમભાવ ના રહે. દાદાશ્રી : કેમ કરીને ના રહે ? કોને ના રહે ? એ તો ચંદુભાઈને ના રહે, તે તમારે શું લેવા-દેવા ? વગર કામના ચંદુભાઈનું આટલું બધું ખેંચ-ખેંચ કરો છો. પ્રશ્નકર્તા : એ જુદું જ નથી પડતું ને ? દાદાશ્રી : થઈ ગયેલું છે જુદું. એ તારે વર્તનમાં ગોઠવવું પડે. આમ ખસી જાય તો આપણે પાછો ધક્કો મારીને ખસેડીને સમું કરવું પડે. જુદું (પા.૧૪) થઈ ગયું એટલે બે દહાડા હેન્ડલ ના મારવું પડે ? ‘હું ચંદુલાલ છું’ એટલે વિષમતા થયા વગર રહે જ નહીં અને ‘હું શુદ્ધાત્મા છું’ એટલે પછી સમભાવે નિકાલ થઈ ગયો. અભ્યાસથી રહે તપમાં આનંદ આ ચંદુભાઈનું કો’કે એમની ઓફિસમાં આવીને અપમાન કર્યું કે ‘તમને ધંધો કરતા નથી આવડતું ને તમે અમને હેરાન કરી નાખ્યા.’ આવી રીતે કંઈક ગમે તે શબ્દ બોલ્યો. એટલે તરત જ્ઞાન ઉપર આપણી દ્રષ્ટિ આવે કે આ આપણું જ્ઞાન શું કહે છે ? ત્યારે કહે, ‘આ ફાઈલનો સમભાવે નિકાલ કરો.’ એવું થાય ને ? પણ પેલો બોલ્યો, તે આ શરીરમાં જે મન ને એ બધું રહ્યું છે તે પકડી લે તરત, અંતઃકરણ પકડી લે તરત. અને એનો સામો જવાબ આપવા માટે, હિંસક જવાબ આપવા માટે મહીં બધું લાલ લાલ થઈ જાય. પણ તે ઘડીએ આ જવાબ આપે નહીં ને નક્કી જ રાખે કે સમભાવે નિકાલ કરવો છે. એટલે એ અંદર લાલ લાલ થઈ ગયું છે, એ જુએ તે ઘડીએ આ આત્મા ક્લિયર (શુદ્ધ) થઈ ગયો. જે તપને જુએ છે એ ક્લિયર આત્મા. એ લાલ લાલ જુએ પછી એને ટાઢું પડી જાય. હંમેશાં કોઈ પણ સંયોગ જામ્યો તે લાલનો હોય કે ઠંડકનો હોય, ત્યારે જ એ વિયોગી સ્વભાવનું હોય છે. એ ઊભરો થોડીવાર પછી બેસી જાય. પણ એક વખત તો બહુ જ તપે. એને પછી આ અભ્યાસથી જોઈએ, ત્યારે આનંદ થઈ જાય છે. પણ તપ તો જતું જ નથી, તપ તો પેલું રહે છે જ. આત્માના ગુણો બોલવાનો અભ્યાસ પોતાના (આત્માના) ગુણો બધા બોલવા જોઈએ. સ્વાભાવિક ગુણો છે એ. ‘હું અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શનવાળો છું’ એવું પચ્ચીસ-પચાસ વખત બોલવું જોઈએ. રોજ એ બધા ગુણો બોલવાનો અભ્યાસ કરવો જોઈએ. આ સિદ્ધસ્તુતિ થાય તો અનંત સુખ થાય. એ કંઈ અઘરું છે આમાં ? ત્યારે રાત તો આપણા બાપની જ છે ને ! કંઈ બીજાનો ભાગ છે મહીં ? પ્રશ્નકર્તા : આપણા બાપની જ ! દાદાશ્રી : કોઈનો ભાગ નહીં ? બાપનો હશે ને ભાગ ? પ્રશ્નકર્તા : સહેજેય નહીં. દાદાશ્રી : તું કહું છું ને, આપણા બાપની ? કોઈનોય ભાગ નહીં. હેય.. નિરાંતે કલાક ગાઈએ. તને કેમ લાગે છે ? અને અઘરું બહુ, નહીં ? આમાં કંઈ અઘરું છે ? પ્રશ્નકર્તા : અઘરું તો નથી, દાદા. દાદાશ્રી : ખાલી એ ટેવ પાડી નથી એટલું જ છે. પ્રેક્ટિસ પાડીએ તો બધું સવળું થઈ જાય એવું છે. પ્રશ્નકર્તા : આત્માના ગુણો આપણી સમક્ષ હોય એ બોલતી વખતે ? એ ગુણો સમજીને બોલવું પડે? દાદાશ્રી : ના, આ બોલવાનું જ ખાલી. ગુણો આમાં સમજી રાખવાની જરૂર જ નથી. ગુણો એ જુદી વસ્તુ કહેવાય. તે બોલતી વખતે એ ઉપયોગ કહેવાય, પોતાના શુદ્ધ ઉપયોગમાં આવે અને એ સિદ્ધસ્તુતિ થાય. એટલે આ બોલવાનું જ બસ, તેય આપણા કાનને સંભળાય એટલું જ. તે આઠ મિનિટથી ઉપર પ્રયોગ કરી જોવાનો. અનુકૂળ આવે તો કરવો. પણ બધાને અનુકૂળ જ આવે. આવો અભ્યાસ કરેલો નહીં, નહીં? પ્રશ્નકર્તા : આ બધી આવી સૂઝ ક્યાં પડી હોય, દાદા ? સૂઝ ના પડી હોય ને આવી બધી. (પા.૧૫) દાદાશ્રી : મહીં જૂના મહાત્મા હોય ને, તે બધા કરી ગયેલા આ. આ તો નવા મહાત્મા આવે છે તે રહી જાય છે. કો’ક કહે, ‘ભઈ, આખો દહાડો શું પુસ્તક વાંચવા ?’ તે આખો દહાડો આ પોતાના ગુણધામનું વર્ણન કર્યા કરવાનું છે. અભ્યાસ થયો એટલે શુદ્ધ થઈ ગયું પ્રશ્નકર્તા : ગજસુકુમારને માથે પાઘડી બંધાઈ, તે વખતે તેમની સ્થિતિ શું હતી ? વેદનાની અસર ના થઈ, એનું કારણ એમનું લક્ષ આત્મામાં પેસી ગયું તે ? એટલે બહારના ભાગમાં શું થાય છે, તેની તેમને ખબર ના રહી ? દાદાશ્રી : વેદનાની અસર થઈ, રહેવાયું નહીં ત્યારે એમને ભગવાનના શબ્દો યાદ આવ્યા કે હવે ચલો આપણા દેશમાં. અસર થયા વગર આત્મા ‘હોમ ડિપાર્ટમેન્ટ’ (આત્મ વિભાગ)માં પેસે તેવો નથી. પ્રશ્નકર્તા : તે વખતે લક્ષ ‘એટ એ ટાઈમ’ (તે સમયે) બે જગ્યાએ રહે, વેદનામાં ને આત્મામાં ? દાદાશ્રી : શરૂઆતમાં ધૂંધળું રહે. પછી વેદનામાં લક્ષ છોડી દે ને એક આત્મામાં જ પેસી જાય. જેને આત્મજ્ઞાન ના મળ્યું હોય, તેને આવી અશાતા વેદનીય અધોગતિમાં લઈ જાય ને જ્ઞાનીને તે મોક્ષે લઈ જાય! ભગવાને તેમને સમજાવ્યું હતું કે ‘‘મોટો ઉપસર્ગ આવી પડે ત્યારે ‘શુદ્ધાત્મા, શુદ્ધાત્મા’ ના કરશો. શુદ્ધાત્મા તો સ્થૂળ સ્વરૂપ છે, શબ્દરૂપ છે. ત્યારે તો સૂક્ષ્મ સ્વરૂપમાં જતા રહેજો.’’ એમણે પૂછયું, ‘સૂક્ષ્મ સ્વરૂપ શું છે ?’ ત્યારે ભગવાને સમજાવેલું કે ‘ફકત કેવળજ્ઞાન જ છે, બીજી કોઈ વસ્તુ નથી.’ ત્યારે ગજસુકુમારે પૂછયું, ‘કેવળજ્ઞાનનો અર્થ મને સમજાવો.’ ત્યારે ભગવાને સમજાવ્યું, ‘કેવળજ્ઞાન એ આકાશ જેવું સૂક્ષ્મ છે; જ્યારે અગ્નિ સ્થૂળ છે. તે સ્થૂળ, સૂક્ષ્મને કોઈ દહાડો બાળી શકે નહીં. મારો, કાપો, બાળો તોય પોતાના કેવળજ્ઞાન સ્વરૂપને કંઈ જ અસર થાય તેમ નથી. અને ગજસુકુમાર માથે અંગારા ધીકતા હતા, ત્યારે ‘હું કેવળજ્ઞાન સ્વરૂપ છું’ એમ બોલ્યા ત્યાં ખોપરી ફાટી, પણ કશી જ અસર તેમને ના થઈ ! કેવળજ્ઞાન સ્વરૂપ કેવું દેખાય ? આખા દેહમાં આકાશ જેટલો જ ભાગ પોતાનો દેખાય. આકાશ જ ખાલી દેખાય, બીજું કશું દેખાય નહીં. કોઈ મૂર્ત વસ્તુ એમાં ના હોય. આમ ધીમે ધીમે અભ્યાસ કરતા જવાનું છે. અનાદિકાળના અન્-અભ્યાસને ‘જ્ઞાની પુરુષ’ના કહેવાથી અભ્યાસ થતો જાય. અભ્યાસ થયો એટલે શુદ્ધ થઈ ગયું ! પ્રશ્નકર્તા : ‘હું કેવળજ્ઞાન સ્વરૂપ છું’ એમ વધારે બોલીએ તો વાંધો છે ? દાદાશ્રી : કશો વાંધો નહીં. પણ શબ્દરૂપે બોલવાનો અર્થ નહીં, સમજીને બોલવું સારું. જ્યાં સુધી અશુદ્ધ બાબત આવે ને, તે વખતે મહીં પરિણામ ઊંચાનીચા થઈ જાય, ત્યાં સુધી ‘હું શુદ્ધાત્મા છું’ બોલવું સારું. પછી આગળની શ્રેણીમાં ‘હું કેવળજ્ઞાન સ્વરૂપ છું’ એમ બોલાય. ગુણોની ભજના કરે, તો સ્થિરતા રહે ! ‘આ મારું સ્વરૂપ છે અને આ ન હોય, આ જે થાય છે, એ મારું સ્વરૂપ ન હોય’ એવું બોલો તોય ઊંચાનીચા પરિણામ બંધ થઈ જાય, અસર ના કરે. સત્સંગથી વધે અભ્યાસ પ્રશ્નકર્તા : તન્મયાકાર થઈ જવાય તો જાગૃતિનો અભાવ સમજવો કે શું સમજવું ? દાદાશ્રી : જાગૃતિનો અભાવ નથી, જાગૃતિ તો ત્યાં છે જ. તમારા કર્મનું ઉદયબળ જબરજસ્ત (પા.૧૬) છે, ફોર્સ છે. અડધો ઈંચની પાઈપમાંથી પાણી આવતું હોય ત્યાં સુધી આંગળી રહે અને ફોર્સ (જોર)થી દોઢ ઈંચના પાઈપમાંથી આવે તો આંગળી ખસી જાય. એવો ફોર્સ છે કર્મનો. પછી એ ફોર્સ થોડો ઓછો થઈ જાય એટલે પાછી આંગળી રહે. જાગૃતિ તો નિરંતર હોય છે જ. પણ જેટલું આવી રીતે થયું, તે ફાઈલો ફરી તમારે નિકાલ કરવી પડશે. જાગૃતિની હાજરી સિવાય જે ફાઈલો ગઈ, તે ફાઈલોનો પાછો ફરી જાગૃતિપૂર્વક નિકાલ કરવો પડશે. એટલે સેકન્ડ ટાઈમ (બીજી વખત) આવશે. આ ભવમાં ને આ ભવમાં આવ્યા કરે. જાગૃતિ તો નિરંતર રહેવાની. પ્રશ્નકર્તા : આ લક્ષ તરત આવી જાય છે, પણ આમ મિનિટે-મિનિટે લક્ષ નથી રહેતું. દાદાશ્રી : એ તો ચંદુભાઈ તન્મય થઈ જાય છે, તમે નથી થતા. આ જ્ઞાન જ એવું છે ને, તન્મય થાય જ નહીં ને ! તમારે ચંદુભાઈ તન્મય થઈ જાય છે, એને જોયા કરવાનું. અને એ અભ્યાસની જરૂર છે. એને સત્સંગની જરૂર છે. અમારી પાસે આવીને બેસો તેમ તેમ શક્તિ વધતી જાય. જુદા પડીને થાય પોતાનું નિરીક્ષણ પ્રશ્નકર્તા : આ જોવાનું એટલે કઈ રીતે આમ? દાદાશ્રી : આ શું કરે છે એમ ના દેખાય, બળ્યું? આ ચંદુભાઈ આખો દહાડો શું કરે છે, એ મને દેખાય છે એવું ‘તમને’ દેખાવું જોઈએ. બસ, એટલું જ. એવું જ, નવી ડિઝાઈનનું નહીં પાછું. કોઈ નવી ડિઝાઈન કે કંઈ નહીં કે મહીં એમાં આર્કિટેક્ચરને લાવવાની જરૂર નથી. જેવું મને દેખાય છે એવું તમને દેખાવું જોઈએ. પ્રશ્નકર્તા : આપે એકવાર વાત કરેલી કે ચંદુભાઈ જમતા હોય તો અરીસામાં જેવું દેખાય, એવી રીતે દેખાવું જોઈએ. દાદાશ્રી : હા, એટલે એવું જ દેખાવું જોઈએ. એ અરીસાને દેખાય કે મને દેખાય, બધું એકનું એક જ છે ને ! એવું જ દેખાવું જોઈએ. અઘરું ખરું એ ? પ્રશ્નકર્તા : દાદા, એ તમને સહેલું, બાકી અમને તો અઘરું ખરું ને? દાદાશ્રી : ના, પણ એ ધીમે ધીમે ફીટ કરવાનું, પછી એની મેળે ફીટ થઈ જાય. એ બાજુ દ્રષ્ટિ ના દોડે એ પછી ફીટ શી રીતે થાય ? મહાવીર ભગવાન તો એક જ કર્યા કરતા હતા કે મહાવીર શું કરે છે એ જોયા કરતા હતા, બસ. બીજી ભાંજગડમાં જ નહીં. મહાવીર જાગતા હોય ત્યારે એ જાગતા જુએ, હું જોવું એ રીતે. હું જોતો હોઉં એ રીતે ‘તમારે’ જોવાનું છે. કોઈ જાગૃત અને સમજદાર માણસ જોયા જ કરતો હોય, આપણું બધું નિરીક્ષણ કર્યા કરતો હોય, એવું નિરીક્ષણ ‘તમારે’ કરવાનું, એટલું જ છે ને! બીજાનું કરી શકવાની શક્તિ તો બધા લોકો ધરાવે છે, પણ આ તો પોતાનું નિરીક્ષણ કરવાની શક્તિ ! કારણ કે અનાદિનો અભ્યાસ નહીં ને, એટલે ત્યાં કાચો પડી જાય. અરીસામાં જોઈને સહેલું કરી આપીએ છીએ. એમ કરતાં કરતાં પ્રેક્ટિસ પડે કે આ અનાદિકાળથી આવું જોયેલું જ નહીં ને ! કારણ કે ‘આ હું પોતે જ છું’, તો પછી જોવાનું જ ક્યાં રહ્યું ? આ તો પોતે જુદો પડ્યો એટલે જુએ છે. જોનાર જુદો થયો ! એટલું છેલ્લું જ્ઞાતા-દ્રષ્ટા તો ચંદુભાઈ આવતા-જતાં હોય તો તમને એમ દેખાય કે ‘ઓહોહો ! આવો ચંદુભાઈ, આવો ચંદુભાઈ.’ (પા.૧૭) ચંદુભાઈ વાત કરતા હોય તોય તમને જુદા દેખાય. એટલે આટલું જ કરવાનું છે હવે. આખો દા’ડો આ જ અભ્યાસ કર કે ‘તું ચંદુનું શરીર શું શું કરી રહ્યું છે, એ જોયા કર. વાણી શું શું બોલી રહી છે તે જોયા કર અને મન શું જાવા-દાવા કરે છે એ જોયા કરે.’ આટલું જ જોયા કરજે, થશે ? પ્રશ્નકર્તા : હા, દાદા. દાદાશ્રી : તું શુદ્ધાત્મા, તારે જોવું અને જાણવું. જ્ઞાતા-દ્રષ્ટા-પરમાનંદી. સ્વભાવ શો શુદ્ધાત્માનો ? ત્યારે કહે, જ્ઞાયક સ્વભાવ. કરવું એ પુદ્ગલના ધર્મ અને જાણવું ને જોવું એ આત્માનો ધર્મ. પોતપોતાના ધર્મમાં રહો, કહે છે. જડ અને ચૈતન્ય બન્ને દ્રવ્ય સ્વભાવથી ભિન્ન સુપ્રતિતપણે જેને સમજાય છે કે આ કરે છે એ ચંદુ, એ આ પુદ્ગલ. મન જાવા-દાવા કરે છે એ આ પુદ્ગલ, વાણી બોલે છે એ આ પુદ્ગલ. એ પુદ્ગલ એનો ધર્મ જુદો, આ આત્માનો ધર્મ જુદો. બેને લેવાદેવા નથી. આત્માનો મુખ્ય સ્વભાવ શો ? જ્ઞાતા-દ્રષ્ટા, પરમાનંદ! પોતાની ફિલ્મ જોવાનો અભ્યાસ પ્રશ્નકર્તા : જોવા ને જાણવામાં સંઘર્ષ બહુ ચાલે છે. એટલે જે જે સંયોગો ભેગા થાય એમાં તણાઈ જવાય છે. દાદાશ્રી : એ તણાઈ જાય તો કોણ તણાઈ જાય ? તમે તો શુદ્ધાત્મા. શુદ્ધાત્મા શી રીતે તણાય ? ચંદુભાઈ નામનું પુદ્ગલ તણાય. પ્રશ્નકર્તા : એ જોવા-જાણવામાં સ્થિરતા રહેવી જોઈએ ને ? દાદાશ્રી : ના, એ સ્થિરતા રહે નહીં. સ્થિરતા રહે તો ઊલટી ઉપાધિ થઈ પડે. આ સિનેમાની ફિલ્મ સ્થિર થઈ જાય તો શું ‘જોવાનું’ પછી ? એ તો ચાલુ જ રહેવી જોઈએ. પ્રશ્નકર્તા : નહીં, એ તો ચાલુ રહે, પણ આપણે એની સાથે ચાલુ ન થઈ જઈએ અને આપણે સ્થિર રહીએ એ જ. દાદાશ્રી : નહીં, આપણે ‘જોયા’ કરીએ. ‘જોનાર’ તો હંમેશાં સ્થિર જ હોય. ‘જોનાર’ તણાય નહીં હંમેશાંય. ‘જોતા’ નથી આપણે, એટલે એની મહીં ઊંધો અભ્યાસ થઈ જાય. જ્ઞાયકભાવમાં રહ્યા એટલે પછી કોઈ દહાડો તણાય નહીં અને લાગણીવશ થયો કે તણાયો. લાગણીવશ થાય એટલે સિનેમામાંય તણાઈ જાય લોકો. રડે છે, હં કે ! અરે પણ જોવાનું’તું ત્યાં રડું છું શું કરવા ? જોવાનું હોય ત્યાં રડે મૂઓ ! રડે ખરો ? અને ફિલ્મ તો એક જ પ્રકારની હોય તો જોવાની ગમે? પ્રશ્નકર્તા : ના ગમે, દાદા. દાદાશ્રી : હં. ફિલ્મમાં ઘડીકવારમાં લગ્ન આવે, ઘડીકમાં મારામાર થતી હોય, ઘડીકમાં હરણ કરી જતા હોય, ત્યારે જોવાની ગમે ને ! આખી ફિલ્મમાં લગ્ન ચાલ્યા કરે તો ના ગમે ને ? એટલે બધી આ ફિલ્મ જોવાની છે. જરાય આનંદ ના જાય એ આપણું વિજ્ઞાન ! શક્તિ તો આખી છે જ મહીં, પણ અવ્યક્ત રૂપે રહેલી છે. કેમ અધૂરી રહે છે ? આપણને હજુ આ બધું ગમે છે. છતાં આ જ્ઞાન પછી ઘણું ખરું ઓછું થઈ ગયું ને ? જેમ જેમ ઓછું થશે તેમ તેમ શક્તિઓ વ્યક્ત થશે. ગમે છે એનો અર્થ તિરસ્કાર નથી કરવાનો એનો. પણ એની મહીં તન્મયાકાર થઈ જાય, ભૂલી જાય પોતે, પોતાની શક્તિ ભૂલી જાય અને આમાં તન્મયાકાર થઈ જાય એટલે એનો અર્થ ‘ગમે છે’ કહેવાય. ખાઓ-પીઓ (પા.૧૮) પણ તન્મયાકાર ના થાવ. જુઓ, સિનેમામાં જાવ છો તો કંઈ કોઈ સારી બઈ કે સારો ભઈ હોય, તો ભેટે છે એને ? અને કોઈ કોઈને મારતો હોય તો ત્યાં બૂમ પાડે છે કે ‘એ કેમ મારું છું ?’ ‘ના મારીશ’ એવું કહે છે કંઈ ? મનમાં સમજે છે કે જોવાનું જ છે આ, બોલવાનું નથી. કેટલા વર્ષ પહેલાં સિનેમા જોવા ગયેલા ? તે દહાડે જોયેલું ખરું ને પણ ? તે કંઈ બોલતા નહોતા ને કે ‘કેમ મારું છું તે ?’ હં, જોવાનું જ છે ત્યાં આગળ ! એ ફિલ્મ એવું નથી કહેતી કે ‘તમે અમને માથે લઈ જાવ જોડે.’ ફિલમ તો કહે છે કે ‘જોઈને જાવ.’ પછી તમે ઊંધું કરો, તેનું ફિલમ શું કરે બિચારી ? પણ પોતે ગુંદર ચોપડીને જાય એટલે પછી શું થાય ? એ ગુંદર ધોઈને જવું પડે. પોતે ગુંદર ચોપડીને જાય એટલે જે હોય તે અડે ને ચોંટે ! પ્યૉર જુઓ ને જાણો પ્રશ્નકર્તા : ‘જાણવું’ અને ‘જોવું’, એ કઈ રીતે હોય ? દાદાશ્રી : તને આખા ચંદુભાઈ દેખાય. ‘ચંદુભાઈ શું કરે છે’ તે બધું જ દેખાય. ચંદુભાઈ ચા પીતા હોય તો દેખાય, દૂધ પીતા હોય તો દેખાય, રડતા હોય તો દેખાય. ગુસ્સે થયા હોય તેય દેખાય, ચિડાતા હોય તો તેય દેખાય, ના દેખાય ? આત્મા બધું જ જોઈ શકે. આ તો ‘જાણવું’ અને ‘જોવું’ બેઉ સાથે થતું નથી, તેથી પરમાનંદ તને ઊભો થતો નથી. પ્રશ્નકર્તા : ‘જાણવું’ ને ‘જોવું’, એ બેઉ કેવી રીતે થઈ શકે ? દાદાશ્રી : એનો આપણે અભ્યાસ પાડીએ એટલે થાય. દરેક બાબતમાં ઉપયોગ રાખીએ, ઉતાવળ કે ધાંધલ ના કરીએ. ગાડીમાં ચડતી વખતે ભીડ હોય તો ભૂલચૂક થઈ જાય ને ‘જોવાનું’ રહી જાય તો તેને ‘લેટ ગો’ કરીએ, પણ બીજે બધે તો રહી શકે ને ? એવું છે ને, ‘જોવું-જાણવું’ કોને કહેવાય ? આ જગતને જોઈએ-જાણીએ તેને ? ત્યારે કહે, ના. એ તો બધાય જુએ છે ને જાણે છે. પણ બધા જુએ છે ને જાણે છે, એનું એ જ જગત આપણે જોવાનું છે. અને બીજું, વિશેષ જગત આપણે જાણવાનું છે કે મનના પર્યાય જોઈ શકતા ના હોય પોતે, એ આપણા મનના પર્યાયને, બુદ્ધિના પર્યાયને બધા જોઈ શકીએ. પણ આ જોવું-જાણવું એ કંઈ લોકોના એકલાને માટે નથી, એ તમારા માટે પણ આ જોવા-જાણવાનું છે. લોકોનું જોવું-જાણવું રાગ-દ્વેષ સહિત છે અને આ તમારું જોવા-જાણવાનું રાગ-દ્વેષ રહિત છે, બસ. સિનેમામાં કોઈ કોઈને મારી નાખતો હોય, તો તમને ત્યાં મારનારા ઉપર દ્વેષ ના આવવો જોઈએ. અને પહેલાં તો મુશ્કેલી ઊભી થાય. ગમે કે નાય ગમે, બેઉ રહે એને, રાગ-દ્વેષ બન્ને રહે. કેટલાંકને નાય ગમતું હોય ને કેટલાંકને ગમતું હોય પણ તમારે ગમો-અણગમો ના રહે. તમારે જ્ઞાતા-દ્રષ્ટા જ રહેવું જોઈએ, જ્યાં જઈએ ત્યાં. એટલે પ્યૉર ‘જોવું’ અને પ્યૉર ‘જાણવું’. અને આ જાળવવા જતાં આ દાદાએ આપેલો આત્મા જતો રહેતો નથી. આત્મા દરેકમાં હાજર જ હોય છે તમને. આ બધું ના હોય તો તમે જુઓ શું ? આપણે થિયેટરમાં પેઠા પછી ‘ધી એન્ડ’ લખેલું હોય એમાં શું જુઓ તમે ? તમે મુશ્કેલીમાં મૂકાઓ. ત્યારે જોવાની વસ્તુ નથી તો ‘જોનાર’ ક્યાં ? ‘જોનાર’ એબ્સન્ટ (ગેરહાજર) ! જોવાની વસ્તુ હોય તો ‘જોનાર’ હાજર થાય. એટલે આ બધી ફિલમ છે તો આત્મા હાજર રહે. ફિલમ જ ના ‘જોવાની’ હોય તો એબ્સન્ટ થઈ જશે. પણ એ અભ્યાસ નથી, તેનો હવે આપણે અભ્યાસ રાખવો (પા.૧૯) જોઈએ. પછી જે કામ કરવું હોય તે કરો ને ! બધું ‘જુઓ’ કે ચંદુભાઈ શું કરી રહ્યા છે આ ! એ ચંદુભાઈને ‘જોયા’ કરો, ફાઈલ નંબર વનને. એક પુદ્ગલને જ જોવાનો અભ્યાસ પ્રશ્નકર્તા : ભગવાન મહાવીર પોતાના એક પુદ્ગલને જ જોતા હતા, એ શું કહેવા માગે છે, દાદા ? દાદાશ્રી : ભગવાન મહાવીર તો બસ, એકલું પોતાનું જ પુદ્ગલ જોયા કરતા’તા. એ તો એમને દેખાય જ નિરંતર. એક પુદ્ગલમાં જ દ્રષ્ટિ રાખતા’તા, બીજું નહીં. એટલે ભગવાન મહાવીર પુદ્ગલ શું કરે છે તે જ જુએ. બુદ્ધિ શું કરે છે, મન-ચિત્ત શું કરે છે, એ જ જોતા હતા. એક જ પુદ્ગલ, બીજું કંઈ નહીં. બીજા ડખામાં ઉતરતા જ નહોતા. આપણે એ પ્રયત્ન કરીએ, પણ થોડીવાર રહે ને પછી પાછું એ ખસી જાય. પ્રશ્નકર્તા : હા, આપણે પ્રયત્ન કરીએ તો થોડીવાર રહે પણ પછી ખસી જાય. દાદાશ્રી : કારણ કે બહારનો અભ્યાસ વધારે ને ! પેલો તો જુદાપણાનો બિલકુલ અભ્યાસ; કોઈ પુદ્ગલની વસ્તુ એવી-તેવી હોય તેની ઉપર એ શું શું કરે છે તે નિરીક્ષણ કરતા હોય, એ બધું ખ્યાલમાં હોય ને એવું એ. પ્રશ્નકર્તા : પણ પોતાના એક જ પુદ્ગલનો, બહાર કોઈ ડખલ નહીં. દાદાશ્રી : બીજું શું ? એક પુદ્ગલ જોવાય તો બહુ થઈ ગયું. નહીં તો બહાર ડખલ થાય જ, એવું કહેવા માગે છે. એ આપણે કહીએ કે તમે જોવાનો અભ્યાસ કરો, પણ થાય નહીં. થોડીવાર રહે, પાછું ભૂલાઈ જાય. ક્યાંય સુધી બધું બહાર જોતો હોય ! પ્રશ્નકર્તા : એ સ્ટેજ આવવાની તો ખરી જ ને ? દાદાશ્રી : એ પ્રયત્ન એનો જ હોય, પણ થાય નહીં ને ! રહે નહીં ને ! જાય ને આવે, જાય ને આવે. એ જાણી રાખવાનું છે, કે એક જ પુદ્ગલ જોવાનું છે. જે એક પુદ્ગલનો સ્વભાવ છે એ સર્વ પુદ્ગલનો સ્વભાવ છે. સ્વભાવ એકનો એક જ જાતનો છે. એટલે ભગવાનની રીત મેં તમને આપી છે. તે રીતે ચાલો હવે. ચંદુભાઈના મન-બુદ્ધિ-ચિત્ત શું કરે છે, ચંદુભાઈ શું શું કરી રહ્યા છે, એ બધું નિરંતર ઑબ્ઝર્વેશન કરવું (જોવું) એ કમ્પ્લીટ શુદ્ધાત્મા. સામાયિકમાં જોવા-જાણવાનો અભ્યાસ અભ્યાસ માટે આ વધુ ટાઈમ સામાયિક કરવી, રવિવારના દહાડે સામાયિક કરવી. સામાયિકમાં અંદર આત્માને જુદો પાડ-પાડ કરવો, બીજું બધું જો જો જ કરવું. બધા વિચારોય જો જો કરવાના પણ એ જોવાનો ને જાણવાનો, બે જ અભ્યાસ આત્મા કર્યા કરે. બીજું અભ્યાસમાં ના ઉતરે. શું બન્યું તે જોયા કરે. મન શું ધર્મમાં છે, બુદ્ધિ શું ધર્મમાં છે, એ બધું જોયા કરે. પ્રશ્નકર્તા : બધાની સામું જોવાનું એ શું શું કરે છે ? દાદાશ્રી : સુપરવિઝન જ કરવાનું, કોઈને ધોલ-બોલ મારવાની નહીં. એવી જ રીતે મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એને જોયા જ કરવાનું. પ્રશ્નકર્તા : વચ્ચે ધોલ એવી કોઈ આપણને મારી જાય તેય ‘જોવું’ ? દાદાશ્રી : તેય ‘જોવું’. અને તો જ અભ્યાસ કરતાં કરતાં થાય ને! છેવટે તો એ અભ્યાસ ઉપર (પા.૨૦) આવવું પડશે ને ? આજે નહીં ને આવતા અવતારમાં પણ એવો રોજ અભ્યાસ તો કરવો પડે ને ? અત્યારથી જ કરી રાખ્યો હોય થોડોઘણો તો શું ખોટો ? અભ્યાસ પણ કરી રાખ્યો હોય તો સારું ને ? થોડોઘણો જેટલો થાય એટલો. ત્યાં ચંદુભાઈ શું કરે છે એ ‘જોયા’ કરવાનું. અમેય ‘આ પટેલ’ શું કરે છે એ ‘જોયા’ કરીએ. શું ખાય છે, શું પીવે છે, શાનો શોખ છે, એ બધું ‘જોયા’ કરીએ. શોખ હોય તો મારે વઢીને બંધ કરાવવો નથી, જે હો તે ભલેહો. સામાયિક-પ્રતિક્રમણ રાખે શુદ્ધ ઉપયોગમાં પ્રશ્નકર્તા : આ જે સરપ્લસ ટાઈમ (વધારાના સમય)માં એક સામાયિક એવી રીતે કરવાની કે ચંદુભાઈ સવારથી શું કરતા હતા એ બધું જોવું, તો પછી એવી રીતે આપણે આ જોયું, એ શેમાં જાય ? એમાં પછી બધા પેલા દોષો પણ દેખાય, એ દોષો જોવાની પ્રક્રિયા, પ્રતિક્રમણ કરવાની ક્રિયા.... દાદાશ્રી : હા, એ બધું આત્મામાં જાય. પ્રશ્નકર્તા : એ શુદ્ધ ઉપયોગ કહેવાય ? દાદાશ્રી : હા, આત્મા પક્ષમાં જાય એટલે પછી શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ અને આત્મામાં રહેવું એમાં ફેર એટલો જ કે પેલું ઉપયોગપૂર્વક છે, શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ એટલે પેલો સામો માણસ ધોલ મારે તોય ‘એ શુદ્ધ આત્મા છે’ એવું આપણને ના જવું જોઈએ. પ્રશ્નકર્તા : અને આત્મામાં રહેવું એટલે ? દાદાશ્રી : આ હમણે વાત કરી, તે આત્મામાં રહેવું કહેવાય. પ્રશ્નકર્તા : એટલે આ બધું અંદર આંખો બંધ કરીને દોષો જોતા હોય, એ બધું. દાદાશ્રી : એ બધું આત્મામાં રહેવાનું. અને પેલો ઉપયોગ કહેવાય, એ છેલ્લો ઉપયોગ. ધોલ મારનાર કોણ, કોને મારે છે, હું કોણ, આ બધું શું છે, એ બધું ખ્યાલમાં રહે, એ શુદ્ધ ઉપયોગ. મારનારનો દોષ, કોનો દોષ છે ? કોણ મારે છે ? કોને મારે છે, તેય તારે જાણવું પડે. પ્રશ્નકર્તા : એને છેલ્લો ઉપયોગ કીધો. દાદાશ્રી : હં. પ્રશ્નકર્તા : તો આવો ઉપયોગ વર્તે એટલે તે ઘડીએ આત્મામાં વર્ત્યો જ કહેવાય ને ? દાદાશ્રી : એ વાત જ જુદી ને ! એની તો વાત જ જુદી ! આ ભાઈનો રિવાજ બહુ સારો, કંઈક આવ્યું કે ‘મારું ન્હોય’ એમ કરીને છૂટું. પ્રશ્નકર્તા : પણ તે ઘડીએ ‘હું કોણ’ એવી પણ જાગૃતિ રાખવી પડે? દાદાશ્રી : એ જાગૃતિ હોય જ. ‘મારું નહીં’ કહેનાર, તે વખતે આ જાગૃતિમાં હોય. ‘મારું ન્હોય’ એમ કહો તોય એ જાગૃતિ. કારણ કે આપણે શું તારું ને શું તારું ન્હોય, એ આપણને જાગૃતિ આપી. અભ્યાસમાં જાગૃતિની અંદર તૈયાર રહેવું પ્રશ્નકર્તા : દાદા, એક્ઝેક્ટ ઉપયોગ પેલું સ્વ-પરિણામ અને પર-પરિણામ એટલે કે પારકા પરિણામ એમ પોતાના પરિણામ જુદા પાડવા એ ઉપયોગ કહેવાય એક્ઝેક્ટલી ? દાદાશ્રી : પોતાના હોમ ડિપાર્ટમેન્ટના દરવાજે ઊભા રહીને, હોમનું આવે તો અંદર અને ફોરેનનું આવે તો નહીં. પ્રશ્નકર્તા : એટલે એ એક્ઝેક્ટ ઉપયોગ કહેવાય? દાદાશ્રી : એ શરૂઆતનો એકઝેક્ટ ઉપયોગ, એ સ્થૂળ ઉપયોગ. (પા.૨૧) પ્રશ્નકર્તા : એ પણ સ્થૂળમાં જાય ! દાદાશ્રી : સૂક્ષ્મની તો તમને ખબરેય ના પડે. સૂક્ષ્મ તમને સમજાવું તોય ના સમજણ પડે. કારણ કે શબ્દથી પકડાય એવું નથી. એટલે એ તમારી જાતને અનુભવ થાય ત્યારે ખરું સમજાય. બહુ આપણે તો જાણવાની જરૂરેય નથી. આપણે અહીં એ સ્થૂળ સુધી આવો તોય બહુ થઈ ગયું. પ્રશ્નકર્તા : એનું જ પરિણામ સૂક્ષ્મમાં આવે પછી ? સ્થૂળનું પરિણામ પછી સૂક્ષ્મ તરફ જાય ? દાદાશ્રી : એ જ સૂક્ષ્મ તરફ ને એ જ અહીં ચોખ્ખું કરવાનું. આટલું ચોખ્ખું કર્યું તો સૂક્ષ્મ તો એની મેળે આવે. આપણે કરવા ના જવું પડે, એ તો એની મેળે આવે. આ નથી થયું એટલે પેલું નથી આવતું. આનું પારાયણ થયું નથી એટલે નથી આવતો. પ્રશ્નકર્તા : આ અભ્યાસથી ઉપયોગ આવી શકેને ? દાદાશ્રી : માણસને અભ્યાસ તો જોઈએ ને ? અભ્યાસ એટલે જાગૃતિની અંદર પોતે તૈયાર રહેવું. પ્રશ્નકર્તા : એ શું કહ્યું ? દાદાશ્રી : જાગૃતિ એમ ને એમ વહી જાય. ખોટું થઈ રહ્યું છે પણ કશો અભ્યાસ કરે નહીં. જાગૃતિ દેખાડ્યા કરે ને, ખોટું થઈ રહ્યું છે ? પ્રશ્નકર્તા : હા, હા. દાદાશ્રી : તારે જાગૃતિ દેખાડે કંઈ ? પ્રશ્નકર્તા : દેખાડે એવું બધું. દાદાશ્રી : આખો દહાડોય, કેવડી ઊંચી થઈ જાગૃતિ! દુનિયા ખોળે છે પણ જાગૃતિ ના રહે. એટલે મેં શું કહ્યું કે ‘હેન્ડલ મારો, ઉપયોગ મૂકો. પાછલી આદતો નડે છે, નહીં તો નિરાકુળ પદ આપ્યું છે તમને. એક સેકન્ડ પણ તમને આકુળતા તો ન થાય, પણ વ્યાકુળતા પણ ન થાય. જે મોક્ષનો ૧/૮મો ભાગ છે, બે આની મોક્ષ તે તો તમને અહીં બેઠાં આપેલો છે, નિરાકુળ પદ આપેલું છે.’ નહીં તો આખું જગત આકુળ-વ્યાકુળ હોય. મોટા મોટા સંતો-આચાર્યો, બધાય આકુળતામાં હોય પણ જ્યારે શિષ્ય જરા કશુંક ઊંધું બોલે ત્યારે વ્યાકુળ થઈ જાય પાછા ! અને તમને તો નિરાકુળતા જાય નહીં એ પદ આપેલું છે ! જીવતા ના હોય એમ રહેવું આ અમે જ્ઞાન આપ્યા પછી હોમ-ફોરેન(સ્વ-પર) બે જુદા પડ્યા, ત્યાર પછી અમે કહીએ છીએ કે આ જેટલા કર્મો બાકી રહ્યા છે, એનો જ્ઞાતા-દ્રષ્ટાપૂર્વક નિવેડો લાવવાનો છે. જ્ઞાતા-દ્રષ્ટાનો ઊંચામાં ઊંચો અર્થ પેલો છે કે પોતે અંદરખાને શું કરી રહ્યો છે, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધું શું કરી રહ્યું છે, એ બધાને સર્વ રીતે જાણે અને જુએ બસ. બીજું કશું નહીં. અને તમારે કયા પદમાં આવવાનું છે કે ચંદુભાઈ હરતાં-ફરતાં દેખાય. ચંદુભાઈ ફરતાં હોય ને તે તમે પછી બેસીને જુઓ તો આ ચંદુભાઈ તે ઘડીએ દેખાય. કેવી રીતે ફર્યા તે તમારે ચંદુભાઈનું આખું શરીર દેખાવું જોઈએ. બહારનો ભાગ દેખાવો જોઈએ, અંદરનો ભાગ વાર લાગે. જ્યારે બહારનો ભાગ દેખાય જુદો, તે વીતરાગ થવા માંડે, પછી સંપૂર્ણ વીતરાગ થવાય. હવે બહારનો ભાગ એટલે શું કે છોકરો જતો હોય આમ અને છોકરાના ગજવામાંથી પૈસા પડે, પૈસા પડતા હોય તો પાછળ આપણે પહેલાં શું કરતા હતા ? કકળાટ કરી મેલીએ, કૂદાકૂદ કરી મેલીએ, ‘ઊભો રહે, પૈસા પડે છે, ઊભો રહે.’ હાલી જાય મહીં બધું. કારણ કે જીવતો (પા.૨૨) હતો, ચંદુભાઈ તરીકે જીવતો હતો. એટલે એવું થાય ને પછી આ જ્ઞાતા-દ્રષ્ટા થયો એટલે પછી પૈસા પડે કે જે કંઈ થવાનું હોય, તે આપણે ચેતવણી અપાય, કે ‘એ ભાઈ, તારા ગજવામાંથી પૈસા પડે છે.’ પછી એમાં આપણે આઘાપાછા ના થઈએ કશું. એ તો ચેતવણી ના આપીએ તોય વાંધો નથી. જાણે જીવતા હોઈએ એવું ખબર ના પડવી જોઈએ. હજુ આ દ્રષ્ટિ ઊંચી જતી જશે. જીવતા હોય આજે તો મહીં કકળાટ કરી મેલે. હવે તો જે ભૂલ થવાની હોય કે નુકસાન જવાનું હોય તો જાય, આપણે જ્ઞાતા-દ્રષ્ટા રહેવું. મરી ગયા હોય તો પછી શું કરીએ ? પછી ભૂલો થાય તો ? એ બધું આવી રીતે એના જેવું ! છોડીના હાથે ગ્લાસવેર બધા તૂટી ગયા, તો આપણે જોનાર ને જાણનાર. બસ ! અક્ષરેય બોલવું નહીં, જાણે જીવતા ના હોઈએ એવી રીતે રહેવું. અભ્યાસથી પહોંચાશે છેલ્લા સ્ટેશને છેલ્લું જ્ઞાતા-દ્રષ્ટા તો ચંદુભાઈ તમને જુદા દેખાય. ચંદુભાઈ દાદાજીના પગે તેલ ઘસતા હોય તે તમને દેખાય. અને ‘તમે’ કહો કે ‘ચંદુભાઈએ બહુ સારું ઘસ્યું’ એ છેલ્લું ! પ્રશ્નકર્તા : આમ આકૃતિ જુદી દેખાય કે આમ સમજણથી જુદું દેખાય? દાદાશ્રી : પહેલાં સમજણથી જુદું દેખાય, પછી ધીમે ધીમે આકૃતિથી દેખાય. હરતાં-ફરતાં જેમ આ બીજા કોઈ જતા હોય એવા દેખાય. આ ભાઈ આવતા-જતા દેખાય છે એ સમજથી દેખાય છે ? પ્રશ્નકર્તા : ના, આકૃતિથી. દાદાશ્રી : એવું દેખાય એ જ્ઞાતા-દ્રષ્ટાપણું, એટલે આત્મા જુદો છે. એની બહુ લાલચ રાખવી નહીં. એ તો બહુ મોટું પદ કહેવાય. આપણે તો આ જેટલું આપ્યું છે, એટલું દ્રઢ થઈ જાય તો બહુ થઈ ગયું. લિમિટ બાંધવા જઈએ તો આય રહી જાય ને તેય રહી જાય. પ્રશ્નકર્તા : આપે કહ્યું ને કે ચંદુભાઈ જુદા દેખાય, હરતાં-ફરતાં, આટલું જુદાપણું હોવું જોઈએ, પણ એમાં દ્રષ્ટા તો ચંદુભાઈની અંદર જ હોય ને ? દાદાશ્રી : ત્યારે જ જોવાનું ને ! ચંદુભાઈની અંદર હોય છતાં એને દેખાય જુદા. પણ એ છેલ્લું પદ છે, તમારે તો આ મેં કહ્યું છે એટલું જ આવે તો બહુ થઈ ગયું. એ સ્ટેશને ગયા તો બીજા બધા સ્ટેશન ભેગા થઈ જશે. અભ્યાસ થકી પૂરેપૂરું કામ કરી લેજો આજ્ઞા પાંચ જ આપી છે. આ પાંચ આજ્ઞા નિરંતર સમાધિ રાખે એવી છે. એમાં રહેવા માટે પહેલો અભ્યાસ કરવો પડે. પછી એની મેળે સહજ થઈ જાય. એ અભ્યાસ કરી દીધો હોય પછી એનું આય ચાલ્યા કરે અને એય ચાલ્યા કરે. ચાલ્યા કરે કે ના ચાલ્યા કરે ? પ્રશ્નકર્તા : બરાબર છે, સાચું. દાદાશ્રી : એટલે આટલું કરજો હવે. આ ઉંમર થયેલી છે. કામ પૂરેપૂરું કરી લેજો. એ કામ તો થઈ ગયું છે પણ હજુ વધારે પૂરેપૂરું સુંદર. આપણે અત્યારથી કરી લીધું હોય. તે ઘડીએ પેલી ખામી પડે, તે ઘડીએ અડચણ પડે પાછી, તો મહેનત વધારે પડે અને આ આજ્ઞા આપી છે એટલે ઉપયોગ રહે. આજ્ઞા પાળવી એ તો મુખ્ય ધર્મ જ એ છે, બીજો કોઈ ધર્મý નથી. પ્રશ્નકર્તા : સાચું છે. દાદાશ્રી : આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. ક્રમિક માર્ગમાં તીર્થંકરોની આજ્ઞા પાળવાની (પા.૨૩) હતી. આ અક્રમ માર્ગમાં જ્ઞાનીની આજ્ઞા પાળવાની છે. અને એ પાંચ આજ્ઞામાં બધું, આખું સંસારનું સ્વરૂપ આવી જાય છે. એવો હિસાબ કાઢેલો કે નહીં ? આ બધું સ્વરૂપ જ એમાં આવી જાય છે. જ્ઞાનીના કહ્યા પ્રમાણે કરે ત્યાં ‘રાજીપો’ આપણી દ્રઢ ઈચ્છા છે કે જ્ઞાનીની આજ્ઞામાં જ રહેવું છે, તો તેમની કૃપા થકી આજ્ઞામાં જ રહેવાય. અમારી આજ્ઞા જેટલી પાળે છે, તેટલો તેને અવશ્ય અમારો રાજીપો મળે છે. પાંચ આજ્ઞામાં નિરંતર રહેવું છે એ ભાવ, એટલો જ અંદર રહેવો જોઈએ. બીજી કોઈ કૃપા કંઈથી આપવા-કરવાની છે નહીં. ત્યારે કંઈ પગ દબાવે તેની પર કૃપા વધારે ઉતરે ને ના દબાવે તેની પર ઓછી ઉતરે, એવું કશું છે નહીં. એ ભાવ અને પરમ વિનય, એટલું જ આપણે સમજવાનું છે અને જે દાદાએ કહ્યું છે, એવી જ પોતાની આજ્ઞા પાળવાની મજબૂત ઈચ્છા. અમને માલૂમ પડી જાય કે આની ઈચ્છા મજબૂત છે કે મોળી છે. ખબર પડે કે ના પડે ? આ સ્કૂલમાં માસ્તર બેસે છે, તેઓની સ્કૂલના ૨૫-૩૦ છોકરાં હોય ને, તેમાં બે-ચાર જણ ઉપર એમને વધારે કૃપા હોય. જે એમના કહ્યા પ્રમાણે લેસન ને બધું કરી લાવે. એના પર રાજી હોય ને ? હથિયાર વાપરજો, નહીં તો કાટ ખાશે ‘જ્ઞાની પુરુષ’ના કહેવાથી આ પ્રમાણે અભ્યાસ થયો, એટલે શુદ્ધ થઈ ગયું ! આ જ્ઞાન મળેલું હોય, તેને તો એક મિનિટની નવરાશ હોય નહીં. મને એક મિનિટ નવરાશ નથી મળતી, એક સેકન્ડેય નવરાશ નહીં ને! બસ માટે ઊભા રહ્યા હોય ને બસ ના આવે તો લોક આમ જો જો કર્યા કરે. આમ જુએ, આમ જુએ ને ડાફાં માર્યા કરે. એટલે તમે ત્યાં આગળ ઊભા રહ્યા હોય ને, તો ડાફાં મારીને શું કામ છે ? આપણી પાસે બધું જ્ઞાન છે ને ! એટલે બધાં ઊભાં હોય, તેમનામાં શુદ્ધાત્મા ‘જોઈએ.’ જતાં-આવતાં હોય, તેમનામાં શુદ્ધાત્મા ‘જોઈએ.’ બસો જતી હોય, તેની મહીં બેઠેલાં હોય તેમનામાં શુદ્ધાત્મા ‘જોઈએ.’ એમ કરતાં કરતાં આપણી બસ આવીને ઊભી રહે. એટલે બધાનામાં શુદ્ધાત્મા જોઈએ ને આપણે આપણું શુદ્ધાત્માનું ધ્યાન કર્યા કરીએ તો આપણો ટાઈમ નકામો જાય નહીં. અને જગતના લોકો તો ડાફાં માર્યા જ કરે. આમ જુએ, આમ જુએ અને પછી મહીં અકળાયા કરે. બસ ના આવે એટલે અકળામણ થાય. એટલે આપણે આપણો ઉપયોગ શા માટે બગાડીએ ? અને શુદ્ધાત્મા જો જો કરીએ તો કેટલો બધો આનંદ થાય ! એટલે હથિયાર પ્રાપ્ત થયું છે તો વાપરવું જોઈએ ને ! નહીં તો હથિયાર કાટ ખાઈ જાય ! સમયનો સદુપયોગ કરી સમજી લો આ તો અક્રમ એટલે ખુલ્લંખુલ્લું, તરત ફોડ આપનારું. જ્યારે ક્રમિકમાં કેવું જરીકસબ વણે છે ને ! એમાં એક મણ રૂમાંથી વણેલા સૂતરમાં એક તોલો સોનું પરોવે. તે એ કેટલું સૂતર હોય ત્યારે એની પર પાશેર સોનું ચઢે છે ! તે આ સૂત્રો ભગવાનના. કેટલું ? એક તોલો સોનું, તે કેટલાય સૂત્રો મહીં આવતા હોય. એટલામાં એક તોલો સોનું. તે ભગવાને શું કહ્યું’તું ? ‘હે ગૌતમ, સૂત્રમાં પરોવ.’ આ સૂત્રમાંથી કાઢે તેના બાપનું સોનું ! હવે કેટલા સૂત્રોમાંથી એ કાઢે ત્યારે તોલો સોનું નીકળે. આ તો સીધું સોનું જ આપી દીધેલું છે. આજના જીવોને એક-એક સૂત્રમાંથી જો કાઢવાનું આપે તો શું દશા થાય ? આ તો આખો ફોડ પડી ગયો છે ! પણ હજુય આપણા મહાત્માઓને મહીં એવી ઠંડક પેસી (થઈ) ગઈ છે કે હવે તો બહુ વાંચવાની શી જરૂર છે, કહે છે. મહીં ઠંડક પડી (થઈ) ગઈ ને, આઈસ્ક્રીમ જેવું લાગે છે ને, એટલે ઠીક છે, કહે છે. ચાલે છે, સમભાવે નિકાલ કરીએ છીએ, થાય છે, કહે છે. આ આની મહીં બધું બહુ લખેલું છે. એ ફોડ બધા સમજી લેવા જેવા છે. ટાઈમનો દુરુપયોગ કરવા જેવો નથી. ટાઈમનો સદુપયોગ કરીને, આમાં બહુ ઊંડા ઊતરીને સમજી લેવા જેવું છે. ખરો સ્વાધ્યાય તો આનો જ કહેવાય. કેવું ? સ્વપ્રાપ્ત થયા પછી સ્વાધ્યાય કહે છે. ‘અમે’ શું કહીએ છીએ ? ‘વિજ્ઞાન’ જાણો, તો ‘તમે’ છૂટા! ‘વિજ્ઞાન’ જાણો તો, ‘તમે’ પોતે જ પરમાત્મા છો ! વિજ્ઞાન નહીં જાણો તો, જાતજાતના અવતારમાં ભટક, ભટક, ભટક, ભટક.... આ વિજ્ઞાન છે એને પૂરું સમજી લેજો. કારણ કે આ બટનને બદલે પેલું બટન દાબશો તો શિયાળાને દા’ડે પંખા ફરશે. સહેજ ભૂલ થઈ કે પછી બૂમ પાડશો કે અરે, ટાઢમાં મરી ગયો ! મૂઆ, પણ બટન દાબવામાં ભૂલ થઈ આ ! એટલે જરા સમજી લેજો. ઝીણવટથી બધું સમજવા જેવું વિજ્ઞાન છે. જય સચ્ચિદાનંદ |