પ્રેમથી રહેજો... પ્રોમિસ ?

સંપાદકીય

આપણા જીવન વ્યવહારમાં ઘણીવાર, ઘણી બધી જગ્યાએ પ્રેમ શબ્દ પ્રયોજાતો હોય છે, પણ સાથે-સાથે એ જ વ્યવહાર કે સંબંધોમાં રાગ-દ્વેષ પણ ઘણા પ્રમાણમાં ઉદ્ભવતા હોય છે. ત્યારે પ્રશ્ન થાય કે આને કંઈ પ્રેમ કહેવાય ? પ્રેમ હોય ત્યાં આવું તે હોઈ શકે ? તો પછી ખરા અર્થમાં પ્રેમ કોને કહેવો ?

પ્રેમની યથાર્થ વ્યાખ્યા પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) સમજાવતા કહે છે કે જે વધે નહીં, ઘટે નહીં એ સાચો પ્રેમ. જે ચઢી જાય ને ઊતરી જાય એ પ્રેમ નહીં પણ આસક્તિ કહેવાય. આ મોહને પણ આપણા લોકો પ્રેમ માને છે પણ એમાં બદલાની આશા હોય, એ ના મળે ત્યારે જે મહીં વલોપાત થાય, તેના ઉપરથી ખબર પડે કે આ શુદ્ધ પ્રેમ નહોતો.

આ કળિકાળે આવો ઘાટ વગરનો, આસક્તિ વગરનો શુદ્ધ-નિર્મળ પ્રેમ ક્યાં જોવા મળે ? દાદાની પ્રત્યક્ષ હાજરીમાં જ મહાત્માઓને એ પ્રેમની અનુભૂતિ થઈ છે. એક જ વખત જે કોઈ એમની અભેદતા ચાખી ગયા તે એમની કરુણા ને પ્રેમથી વંચિત નથી રહી શક્યા.

સાદી શૈલીમાં પ્રેમ એટલે આપણને કોઈના નેગેટિવ કે કોઈના દોષ ના દેખાય. જ્યાં કોઈ સ્વાર્થ નથી, અપેક્ષા નથી, આક્ષેપ નથી, કાયદા નથી, મતભેદ નથી, નોંધ નથી, સત્તા નથી, ભેદ નથી... ટૂંકમાં અહંકાર-મમતા નથી.

પ્રસ્તુત અંકમાં દાદાશ્રી વ્યવહારમાં પ્રેમ સ્વરૂપ થવાની રીત શીખવે છે આ રોજિંદા વ્યવહાર જીવનમાં, ઘરમાં જ જ્યાં ચીકણી ફાઈલો સાથે રાગ-દ્વેષ-મોહ-આસક્તિના બંધનમાં ઘેરાયેલા હોય એ આ પ્રેમ શબ્દ કેવી રીતે શીખે ? અત્રે દાદાશ્રીએ ખૂબ જ સરળ ભાષામાં, આપણા ઘરમાં જ (પતિ, પત્ની, બાળકો, વડીલો, નોકરો સાથે) પ્રેક્ટિકલિ ‘પ્રેમ સ્વરૂપ’ થવા ક્યાંથી શરૂઆત કરવી એના સ્ટેપિંગ્સ આપ્યા છે.

જ્ઞાની પુરુષ દાદાશ્રી કહે છે કે ક્રોધ-માન-માયા-લોભના હથિયાર મેં નીચે મૂકેલા છે, એ હું વાપરતો નથી, હું જગતને પ્રેમથી જીતવા માગું છું. મારી પાસે તો એક જ પ્રેમનું હથિયાર છે, બીજું કશું નથી. આ જગતને સુધારવા માટે કે જગતથી છૂટવા માટે એકમાત્ર ચાવી છે તે ‘પ્રેમ’ છે.

પૂજ્ય નીરુમાનો સર્વે મહાત્માઓને માટે અંતિમ સંદેશો હતો કે બધા એકબીજા સાથે ‘પ્રેમથી રહેજો’ અને પછી વધુમાં એમણે મહાત્માઓ પાસે પ્રોમિસ માગ્યું છે કે ‘રહેશો ને ? પ્રોમિસ ?’ તો આપણે પ્રોમિસ પૂરું કરવું જ રહ્યું. હવે દાદાની આજ્ઞામાં રહીને જીવમાત્ર જોડે પ્રેમ સ્વરૂપ થવાના નિશ્ચય સાથે સમજણથી પુરુષાર્થ આદરીશું એ જ અભ્યર્થના.

~ જય સચ્ચિદાનંદ.

પ્રેમથી રહેજો... પ્રોમિસ ?

(પા.૪)

પ્રેમ, શબ્દ અલૌકિક ભાષાનો

પ્રશ્નકર્તા : વાસ્તવિકતામાં પ્રેમ વસ્તુ શું છે, એ મારે વિગતવાર સમજવું છે.

દાદાશ્રી : જગતમાં આ જે પ્રેમ બોલાય છે ને, એ પ્રેમને નહીં સમજવાથી બોલે છે. પ્રેમની વ્યાખ્યા હોય કે ના હોય ? શું ડેફિનેશન છે પ્રેમની?

પ્રશ્નકર્તા : કોઈ એટેચમેન્ટ કહે, કોઈ વાત્સલ્ય કહે, ઘણી જાતના પ્રેમ છે.

દાદાશ્રી : ના. ખરેખર જેને પ્રેમ કહેવામાં આવે છે, એની વ્યાખ્યા તો હશે જ ને ?

પ્રશ્નકર્તા : મારે તમારી આગળ કશી ફળની આશા ન હોય, એને આપણે ખરો પ્રેમ કહી શકીએ ?

દાદાશ્રી : એ પ્રેમ જ ના હોય. પ્રેમ સંસારમાં હોય નહીં. એ અલૌકિક તત્ત્વ છે. સંસારમાં જ્યારથી અલૌકિક ભાષા સમજતો થાય ત્યારથી એ પ્રેમનું ઉપાદાન થાય.

પ્રશ્નકર્તા : આ જગતમાં પ્રેમનું તત્ત્વ જે સમજાવ્યું છે, તે શું છે?

દાદાશ્રી : જગતમાં જે પ્રેમ શબ્દ છે ને, એ અલૌકિક ભાષાનો શબ્દ છે, તે લોક વ્યવહારમાં આવેલો છે. બાકી, આપણા લોકો પ્રેમને સમજતા જ નથી.

ઢાઈ અક્ષર પ્રેમ કા...

તેથી તો કબીર સાહેબે કહ્યું,

‘પોથી પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયા ન કોય,

ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય.’

પ્રેમના અઢી અક્ષર આટલું સમજે તો બહુ થઈ ગયું. બાકી, પુસ્તક વાંચે તેને તો કબીર સાહેબે આવડી આવડી આપી કે આ પુસ્તક તો પઢી પઢીને જગત મરી ગયું પણ પંડિત કોઈ થયો નથી, એક પ્રેમના અઢી અક્ષર સમજવા માટે. પણ અઢી અક્ષર પ્રાપ્ત થયા નહીં ને રખડી મર્યો. એટલે પુસ્તકમાં તો આમ જો જો કરે ને, એ તો બધું મેડનેસ વસ્તુ (મૂર્ખતાભર્યું) છે. પણ જો અઢી અક્ષર પ્રેમનો જાણ્યો કે પંડિત થઈ ગયો એવું કબીર સાહેબે કહ્યું. કબીર સાહેબની વાત સાંભળી બધી ?

પ્રેમ હોય તો કોઈ દહાડો છૂટા પડે નહીં. આ તો બધો ઘાટવાળો પ્રેમ છે. ઘાટવાળો પ્રેમ એ પ્રેમ કહેવાય ?

પ્રશ્નકર્તા : એને આસક્તિ કહેવાય ?

દાદાશ્રી : છે જ આસક્તિ. અને પ્રેમ તો અનાસક્ત યોગ છે. અનાસક્ત યોગથી સાચો પ્રેમ ઉત્પન્ન થાય.

પ્રેમની યથાર્થ વ્યાખ્યા

પ્રશ્નકર્તા : દાદા, ખરેખર પ્રેમ શું છે એ મને ખબર નથી, એ સમજાવો.

દાદાશ્રી : વોટ ઈઝ ધ ડેફિનેશન ઓફ લવ ? (પ્રેમની વ્યાખ્યા શું છે?) અરે, હું જ નાનપણમાં પ્રેમની વ્યાખ્યા ખોળતો હતો ને ! મને થયું, પ્રેમ શું હશે ? આ લોકો ‘પ્રેમ-પ્રેમ’ કર્યા કરે છે તે પ્રેમ શું હશે ? તે પછી બધા પુસ્તકો જોયા, બધા શાસ્ત્રો વાંચ્યા, પણ પ્રેમની વ્યાખ્યા કોઈ જગ્યાએ જડે નહીં. મને અજાયબી લાગી કે કોઈ શાસ્ત્રોએ ‘પ્રેમ શું છે’ એવી વ્યાખ્યા જ નથી

(પા.૫)

કરી ! પછી જ્યારે કબીર સાહેબનું પુસ્તક જોયું ત્યારે દિલ ઠર્યું કે પ્રેમની વ્યાખ્યા તો આમણે કરી છે. એ વ્યાખ્યા મને કામ લાગી. એ શું કહે છે કે

‘ઘડી ચઢે, ઘડી ઊતરે, વહ તો પ્રેમ ન હોય

અઘટ પ્રેમ હી હૃદય બસે, પ્રેમ કહીએ સોય !’

એમણે વ્યાખ્યા કરી. મને તો બહુ સુંદર લાગી હતી વ્યાખ્યા, ‘કહેવું પડે કબીર સાહેબ, ધન્ય છે !’ આ સાચામાં સાચો પ્રેમ ! ઘડી ચઢે ને ઘડી ઊતરે, એને પ્રેમ કહેવાય ?

પ્રશ્નકર્તા : તો સાચો પ્રેમ કોનું નામ કહેવાય ?

દાદાશ્રી : સાચો પ્રેમ, જે વધે નહીં, ઘટે નહીં એ ! અમારો જ્ઞાનીઓનો પ્રેમ એવો હોય, જે વધઘટ ના થાય. એવો અમારો સાચો પ્રેમ આખા વર્લ્ડ ઉપર હોય. અને એ પ્રેમ તો પરમાત્મા છે.

પ્રશ્નકર્તા : છતાંય જગતમાં ક્યાંક તો પ્રેમ હશે ને ?

દાદાશ્રી : કોઈ જગ્યાએ પ્રેમ જ નથી. પ્રેમ જેવી વસ્તુ જ આ જગતમાં નથી, બધી આસક્તિ જ છે. અવળું બોલીએ ને, ત્યારે તરત ખબર પડી જાય. હમણે ભાઈ આવ્યા હોય વિલાયતથી, તે આજ તો એની જોડે ને જોડે બેસી રહેવાનું ગમે. એની જોડે જમવાનું-ફરવાનું ગમે. અને બીજે દહાડે એ આપણને કહે, ‘નોનસેન્સ (નાલાયક) જેવા થઈ ગયા છો.’ એટલે થઈ રહ્યું ! અને ‘જ્ઞાની પુરુષ’ને તો સાત વખત ‘નોનસેન્સ’ કહે તોય કહે, ‘હા, ભાઈ, બેસ, તું બેસ.’ કારણ કે ‘જ્ઞાની’ પોતે જાણે છે કે આ બોલતો નથી, આ એની રેકર્ડ બોલી રહી છે.

આ ખરો પ્રેમ તો કેવો છે કે જેની પાછળ દ્વેષ જ ના હોય. જ્યાં પ્રેમની પાછળ દ્વેષ છે, એ પ્રેમને પ્રેમ કહેવાય જ કેવી રીતે ? એકધારો પ્રેમ હોવો જોઈએ.

પ્રેમ જગતે જોયો નથી

પ્રશ્નકર્તા : તો સાચો પ્રેમ એટલે વધઘટ ના થાય ?

દાદાશ્રી : સાચો પ્રેમ વધઘટ ના થાય એવો જ હોય. આ તો પ્રેમ થયેલો હોય તો જો કદી ગાળો ભાંડીએ તો એની જોડે ઝઘડો થઈ જાય અને ફૂલો ચઢાવીએ તો પાછો આપણને ચોંટી પડે.

પ્રશ્નકર્તા : વ્યવહારમાં ઘટે-વધે એવી રીતે જ હોય.

દાદાશ્રી : આ લોકોનો પ્રેમ તો આખો દહાડો વધઘટ જ થયા કરે ને! છોકરા-છોડીઓ બધા પર જો વધઘટ જ થયા કરે ને ! સગાંવહાલાં, બધેય વધઘટ જ થાય છે ને ! અરે, પોતાની જાત ઉપરેય વધઘટ જ થયા કરે ને ! ઘડીમાં અરીસામાં જુએ તો કહે, ‘હવે હું સારો દેખાઉં છું.’ ઘડી પછી ‘ના, બરોબર નથી’ કહે. તે જાત ઉપરેય પ્રેમ વધઘટ થાય. આ જવાબદારી નહીં સમજવાથી જ આ બધું થાય છે ને ! કેટલી મોટી જવાબદારી !

પ્રશ્નકર્તા : ત્યારે આ લોકો કહે છે ને, પ્રેમ કેળવો, પ્રેમ કેળવો!

દાદાશ્રી : પણ આ પ્રેમ જ ન્હોય ને ! આ તો લૌકિક વાતો છે. આને પ્રેમ કોણ કહે તે ? લોકોનો પ્રેમ જે વધઘટ થાય એ બધી આસક્તિ, નરી આસક્તિ ! જગતમાં આસક્તિ જ છે. પ્રેમ જગતે જોયો નથી.

સ્વાર્થ ના હોય ત્યાં પ્રેમ

પ્રશ્નકર્તા : જે પ્રેમ વધઘટ ના હોય તો એનું સ્વરૂપ કેવું હોય ?

(પા.૬)

દાદાશ્રી : વધઘટ ના થાય, વધે નહીં ને ઘટે નહીં.

પ્રશ્નકર્તા : પ્રેમ કેવી રીતના વધેઘટે નહીં ?

દાદાશ્રી : જ્યારે જુઓ ત્યારે પ્રેમ એવો ને એવો જ દેખાય આપણને. એ જ્યાં સ્વાર્થ ના હોય ત્યાં આગળ શુદ્ધ પ્રેમ હોય. સ્વાર્થ ક્યારે ના હોય ? મારી-તારી ના હોય ત્યારે. મારી-તારી ક્યારે ના હોય? દેહધારી રૂપે રહેતા ના હોય અગર તો જ્ઞાન હોય ત્યારે મારી-તારી ના હોય. જ્ઞાન વગર મારી-તારી તો ખરી જ ને ! છોકરાં ઉપર માનો પ્રેમ સખત હોય છે અને આ બીજા બધા પ્રેમ કરતા એ પ્રેમ વખાણવા જેવો છે. એમાં બલિદાન છે. શું છે ? એ પ્રેમમાં બલિદાન છે કેટલાક ભાગનું માનું, મધરનું, પણ તેય છે તે જ્યારે મધરને ગમતી ચીજ ઉપર જો છોકરાંની તરાપ પડે તો બે લડે તો પ્રેમ ફ્રેક્ચર થઈ જાય, છોકરો જુદો રહેવા જતો રહે. ‘મા, તારી જોડે નહીં ફાવે મને.’ એટલે આને પ્રેમ કહેવાય જ નહીં ને! પ્રેમ કોઈ દહાડોય તૂટે નહીં એનું નામ પ્રેમ ! તૂટવાનો તૂટે નહીં ને વધે નહીં ને ઘટેય નહીં પાછો.

પ્રશ્નકર્તા : ભરતી-ઓટ ના આવે જેની અંદર.

દાદાશ્રી : વધઘટ થાય એને પ્રેમ કેમ કહેવાય ? ઘડીવાર ચડી જાય, ઊતરી જાય. એ પ્રેમ ઊતરી જાય તો દ્વેષમાં પરિણામ પામે અને ચડી જાય તો રાગમાં પરિણામ પામે.

બાકી, આ તો લૌકિક પ્રેમ છે. અમથા લોકો ‘પ્રેમ-પ્રેમ’ ગાયા કરે છે. આ તો બૈરી જોડેય પ્રેમ હોતો હશે ? આ બધાય સ્વાર્થના સગા છે અને આ મા છેને, તે તો મોહથી જ જીવે છે. પોતાના પેટે જન્મ્યું એટલે એને મોહ ઉત્પન્ન થાય છે અને ગાયનેય મોહ ઉત્પન્ન થાય છે પણ છ મહિના એનો મોહ રહે છે અને આ મધરને સાઠ વર્ષનો થાય તોય મોહ ના જાય.

મોહ ને પ્રેમની ભેદરેખા

પ્રશ્નકર્તા : મોહ અને પ્રેમ આ બન્નેની ભેદરેખા શું છે ?

દાદાશ્રી : આ ફૂદું છે ને, એ દીવાની પાછળ પડી અને યાહોમ થઈ જાય ને ! એ પોતાની જિંદગી ખલાસ કરી નાખે છે, એ મોહ કહેવાય. જ્યારે પ્રેમ એ ટકે. પ્રેમ ટકાઉ હોય, એ મોહ ના હોય.

મોહ એટલે ‘યુઝલેસ’ જીવન ! એ તો આંધળા થવા બરાબર છે. આંધળો માણસ ફૂદાંની પેઠ ફરે ને માર ખાય એના જેવું અને પ્રેમ તો ટકાઉ હોય, એમાં તો આખી જિંદગીનું સુખ જોઈતું હોય. એ તાત્કાલિક સુખ ખોળે એવું નહીં ને !

એટલે આ બધા મોહ જ છે ને ! મોહ એટલે ઉઘાડા દગા-ફટકા ! મોહ એટલે હંડ્રેડ પરસેન્ટ (સો ટકા) દગા નીકળેલા.

પ્રશ્નકર્તા : પણ આ મોહ છે ને આ પ્રેમ છે એવું સામાન્ય જનને કેવી રીતે ખબર પડે ? એક વ્યક્તિને સાચો પ્રેમ છે કે આ એનો મોહ છે એવું પોતાને કઈ રીતે ખબર પડે ?

દાદાશ્રી : એ તો ટૈડકાવીએ ત્યારે એની મેળે ખબર પડે. એક દહાડો ટૈડકાવીએ અને એ ચિડાઈ જાય એટલે જાણીએને કે આ યુઝલેસ (નકામું) છે ! પછી દશા શું થાય ? એના કરતાં પહેલેથી ખખડાવીએ. રૂપિયો ખખડાવી જોઈએ, કલદાર છે કે બહેરો છે એ તરત ખબર પડી જાય ને? કંઈ બહાનું ખોળી કાઢી અને ખખડાવીએ. અત્યારે તો નર્યા ભયંકર સ્વાર્થો! સ્વાર્થના માટે

(પા.૭)

હઉ કોઈ પ્રેમ દેખાડે. પણ એક દહાડો ખખડાવી જોઈએ તો ખબર પડે કે આ સાચો પ્રેમ છે કે નહીં ?

પ્રશ્નકર્તા : સાચો પ્રેમ હોય ત્યાં કેવું હોય, ખખડાવે તોય ?

દાદાશ્રી : એ ખખડાવે તોય શાંત રહીને પોતે એને નુકસાન ન થાય એવું કરે. સાચો પ્રેમ હોય ત્યાં ગળી જાય. હવે સાવ બદમાશ હોય ને, તો એય ત્યાં ગળી જાય.

પ્રેમના પ્રકાર

પ્રશ્નકર્તા : તો પછી આ પ્રેમના પ્રકાર કેટલા છે, કેવા છે, એ બધું સમજાવો ને !

દાદાશ્રી : બે જ પ્રકારના પ્રેમ છે; એક વધઘટવાળો, ઘટે ત્યારે આસક્તિ કહેવાય ને વધે ત્યારે આસક્તિ કહેવાય અને એક વધઘટ ના થાય એવો અનાસક્ત પ્રેમ, એ જ્ઞાનીઓને હોય.

iાાનીનો પ્રેમ તે શુદ્ધ પ્રેમ છે. આવો પ્રેમ ક્યાંય જોવા નહીં મળે. દુનિયામાં જ્યાં તમે જુઓ છો તે બધો જ ઘાટવાળો પ્રેમ. બૈરી-ધણીનો, મા-બાપનો, બાપ-દીકરાનો, મા-દીકરાનો, શેઠ-નોકરનો, દરેકનો પ્રેમ ઘાટવાળો હોય. ઘાટવાળો છે એ ક્યારે સમજાય કે જ્યારે એ પ્રેમ ફ્રેક્ચર થાય. જ્યાં સુધી મીઠાશ વર્તે ત્યાં સુધી કાંઈ ના લાગે, પણ કડવાટ ઊભી થાય ત્યારે ખબર પડે. અરે, આખી જિંદગી બાપની સંપૂર્ણ આમન્યામાં રહ્યો હોય ને એક જ વખત ગુસ્સામાં, સંજોગવશાત્ જો બાપને બેટો ‘તમે અક્કલ વગરના છો’ એમ કહે, તો આખી જિંદગી માટેનો સંબંધ તૂટી જાય. બાપ કહે, ‘તું મારો બેટો નહીં ને હું તારો બાપ નહીં.’ જો સાચો પ્રેમ હોય તો એ કાયમ માટે તેવો ને તેવો જ રહે, પછી ગાળો ભાંડો કે ઝઘડો કરે. એ સિવાયના પ્રેમને તો સાચો પ્રેમ શી રીતે કહેવાય ? ઘાટવાળો પ્રેમ તેને જ આસક્તિ કહેવાય. એ તો વેપારી અને ગ્રાહક જેવો પ્રેમ છે, સોદાબાજી છે. જગતનો પ્રેમ તો આસક્તિ કહેવાય. પ્રેમ તો તેનું નામ કહેવાય કે જોડે ને જોડે રહેવાનું ગમે. તેની બધી જ વાત ગમે. તેમાં એક્શન એન્ડ રિએક્શન ના હોય. પ્રેમ પ્રવાહ સરખો જ વહ્યા કરે. વધઘટ ના હોય, પૂરણ ગલન ના હોય. આસક્તિ પૂરણ-ગલન સ્વભાવની હોય.

આસક્તિ ને પ્રેમનો ભેદ

પ્રશ્નકર્તા : આમાં પ્રેમ અને આસક્તિનો ભેદ જરા સમજાવો ને!

દાદાશ્રી : જે વિકૃત પ્રેમ, એનું નામ જ આસક્તિ. આ જગત એટલે વિકૃત (વિભાવિક) છે, એમાં જે પ્રેમ આપણે કહીએ છીએ એ વિકૃત પ્રેમ કહેવાય છે અને એને આસક્તિ જ કહેવાય.

જે પ્રેમ ઉત્પન્ન થાય તેય વધઘટ ના થાય એવો પ્રેમ હોવો જોઈએ. એનો એ જ પ્રેમ જો વધઘટ થવામાં આવે એટલે આસક્તિ થઈ ગઈ. જેમ આરોગ્ય હોય છે, તે એનું એ જ આરોગ્ય જો વધઘટ થાય તો રોગ કહેવાય! એવી રીતે આ એનો એ જ પ્રેમ વધઘટ થાય એ આસક્તિ કહેવાય. અમારો પ્રેમ વધઘટ ના થાય. તમારે વધઘટ થાય તેથી તે આસક્તિ કહેવાય. વખતે ઋણાનુબંધી આગળ પ્રેમ વધઘટ થાય તો ‘આપણે’ તેને ‘જાણીએ.’ હવે પ્રેમ વધઘટ ના થવો જોઈએ. પ્રેમ એકદમ વધી ગયો તોય આસક્તિ કહેવાય અને ઘટી ગયો તોય આસક્તિ કહેવાય.

આસક્તિ પરમાણુઓના આકર્ષણથી

એ કોના જેવું છે ? આ લોહચુંબક હોય અને આ ટાંકણી અહીં પડી હોય ને લોહચુંબક આમ આમ કરીએ તો ટાંકણી ઊંચીનીચી થાય કે

(પા.૮)

ના થાય ? થાય. લોહચુંબક નજીક ધરીએ તો ટાંકણી એને ચોંટી જાય. એ ટાંકણીમાં આસક્તિ ક્યાંથી આવી ? એવી રીતે આ શરીરમાં લોહચુંબક નામનો (જેવો) ગુણ છે. કારણ કે મહીં ઈલેક્ટ્રિકલ બોડી છે. એટલે એ બોડીના આધારે ઈલેક્ટ્રિસિટી બધી થયેલી છે. તેથી શરીરમાં લોહચુંબક નામનો ગુણ ઉત્પન્ન થાય છે, તે પોતાના પરમાણુ મળતા આવે ત્યાં આકર્ષણ ઊભું થાય અને બીજાની જોડે કશું નહીં. એ આકર્ષણને આપણા લોકો રાગ-દ્વેષ કહે છે. કહે, ‘મારો દેહ ખેંચાય છે.’ અલ્યા, તારી ઈચ્છા નથી તો દેહ કેમ ખેંચાય છે ? માટે ‘તું’ કોણ છે ત્યાં આગળ ?

આપણે દેહને કહીએ, ‘તું જઈશ નહીં’, તોય ઊઠીને હેંડવા માંડે. કારણ કે પરમાણુનું બંધાયેલું છે ને, તે પરમાણુનું ખેંચાણ છે આ. મળતા પરમાણુ આવે ત્યાં આ દેહ ખેંચાઈ જાય, નહીં તો આપણી ઈચ્છા ના હોય તોય દેહ કેમ કરીને ખેંચાય ? આ દેહ ખેંચાઈ જાય, એને આ જગતના લોકો કહે, ‘મને આની પર બહુ રાગ છે.’ આપણે પૂછીએ, ‘અલ્યા, તારી ઈચ્છા ખેંચાવાની છે ?’ તો એ કહે, ‘ના, મારી ઈચ્છા નથી તોય ખેંચાઈ જવાય છે.’ તો પછી આ રાગ નથી, આ તો આકર્ષણનો ગુણ છે. પણ જ્ઞાન ના હોય ત્યાં સુધી આકર્ષણ કહેવાય નહીં. કારણ કે એના મનમાં તો એમ જ માને છે કે ‘મેં જ આ કર્યું.’ અને આ ‘જ્ઞાન’ હોય તો પોતે ફક્ત જાણે કે દેહ આકર્ષણથી ખેંચાયો અને આ મેં કંઈ કર્યું નથી. એટલે આ દેહ ખેંચાય ને, તે દેહ ક્રિયાશીલ બને છે. આ બધું પરમાણુનું જ આકર્ષણ છે.

આ મન-વચન-કાયા આસક્ત સ્વભાવના છે. આત્મા આસક્ત સ્વભાવનો નથી અને આ દેહ આસક્ત થાય છે તે લોહચુંબક ને ટાંકણીના જેવું છે. કારણ કે એ ગમે એવું લોહચુંબક હોય તોય એ તાંબાને નહીં ખેંચે. શેને ખેંચે એ ? હા, લોખંડ એકલાને ખેંચે. પિત્તળ હોય તો ના ખેંચે. એટલે સ્વજાતીયને ખેંચે. એવું આમાં જે પરમાણુ છે ને આપણા બોડીમાં, તે લોહચુંબકવાળા છે, તે સ્વજાતીયને ખેંચે. સરખા સ્વભાવવાળા પરમાણુ ખેંચાય. ગાંડી વહુ જોડે ફાવે અને ડાહી બેન છે તે એને બોલાવતી હોય તોય ના ફાવે. કારણ કે પરમાણુ મળતા નથી આવતા.

એટલે આ છોકરા પર પણ આસક્તિ જ છે ખાલી. પરમાણુ-પરમાણુ મળી આવ્યા. ત્રણ પરમાણુ આપણા અને ત્રણ પરમાણુ એના, એમ પરમાણુ મળી આવ્યા એટલે આસક્તિ થાય. મારા ત્રણ અને તમારા ચાર હોય તો કશું લેવાદેવા નહીં. એટલે વિજ્ઞાન છે આ બધું તો !

આ આસક્તિ તે દેહનો ગુણ છે, પરમાણુઓનો ગુણ છે. તે કેવો છે ? લોહચુંબક અને ટાંકણીને જેવો સંબંધ છે તેમ. દેહને ફીટ થાય તેવા પરમાણુમાં દેહ ખેંચાય, તે આસક્તિ છે.

આસક્તિ તો એબવ નોર્મલ અને બીલો નોર્મલ પણ હોઈ શકે. પ્રેમ નોર્માલિટીમાં હોય, એકસરખો જ હોય. તેમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય જ નહીં. આસક્તિ એ તો જડની આસક્તિ છે, ચેતનની તો નામેય નથી.

વ્યવહારમાં અભેદતા રહે, તેનું પણ કારણ હોય છે. એ તો પરમાણુ અને આસક્તિના ગુણો છે, પણ તેમાં કઈ ક્ષણે શું થશે તે કહેવાય નહીં. જ્યાં સુધી પરમાણુ મળતા આવે ત્યાં સુધી આકર્ષણ રહે, તેથી અભેદતા રહે અને પરમાણુ મળતા ના આવે તો વિકર્ષણ થાય અને વેર થાય. માટે આસક્તિ હોય ત્યાં વેર હોય જ. આસક્તિમાં હિતાહિતનું ભાન ના હોય, પ્રેમમાં સંપૂર્ણ હિતાહિતનું ભાન હોય.

(પા.૯)

આ તો પરમાણુઓનું સાયન્સ છે. તેમાં આત્માને કશી જ લેવાદેવા નથી. પણ લોક તો ભ્રાંતિથી પરમાણુના ખેંચાણને માને છે કે ‘હું ખેંચાયો.’ આત્મા ખેંચાય જ નહીં.

ક્યાં ભ્રાંત માન્યતા ને ક્યાં વાસ્તવિકતા !

આ તો સોય અને લોહચુંબકના ખેંચાણને લઈને તમને એમ લાગે છે કે મને પ્રેમ છે તેથી મારું ખેંચાય છે, પણ એ પ્રેમ જેવી વસ્તુ જ નથી.

પ્રશ્નકર્તા : તો આ લોકોને એવી ખબર ના પડે કે આપણો પ્રેમ છે કે નહીં ?

દાદાશ્રી : પ્રેમ તો બધાને ખબર પડે. દોઢ વર્ષના બાળકનેય ખબર પડે, એનું નામ પ્રેમ કહેવાય. આ બીજું બધું તો આસક્તિ છે. ગમે તેવા સંજોગોમાંય પ્રેમ વધે નહીં ને ઘટે નહીં, એનું નામ પ્રેમ કહેવાય. બાકી, આને પ્રેમ કહેવાય જ કેમ ? આ તો ભ્રાંતિનો છે, ભ્રાંત ભાષાનો શબ્દ છે.

એટલે આસક્તિ ક્યાં હોય ? જ્યાં એની પાસે કંઈક બદલાની આશા હોય. અને જ્યાં આસક્તિ હોય ત્યાં આક્ષેપો થયા વગર રહે જ નહીં. એ આસક્તિનો સ્વભાવ છે. આસક્તિ થાય એટલે આક્ષેપો થયા જ કરે ને કે ‘તમે આવા છો ને તમે તેવા છો.’ ‘તમે આવા ને તું આવી...’ એવું ના બોલો, નહીં ? તમારા ગામમાં ત્યાં ના બોલે કે બોલે ? બોલે ! એ આસક્તિને લીધે.

સંસારમાં આ ઝઘડાને લીધે જ આસક્તિ થાય છે. આ સંસારમાં ઝઘડો તો આસક્તિનું વિટામિન છે. ઝઘડો ના હોય તો વીતરાગ થવાય.

એટલે જગતે બધું જ જોયું હતું પણ પ્રેમ જોયો નહોતો અને જગત જેને પ્રેમ કહે છે એ તો આસક્તિ છે. આસક્તિમાંથી આ ડખા ઊભા થાય છે બધા.

આસક્તિમાં હંમેશાં રાગ-દ્વેષ થયા કરે. જે આસક્તિ છે એને જ પ્રેમ ગણે છે, એ લોકભાષા ને! પાછાં બીજાયે એવું જ કહે, એને જ પ્રેમ કહે. આખી લોકભાષા જ એ થઈ.

રાગ - દ્વેષ - પ્રેમ

પ્રશ્નકર્તા : તો હવે પ્રેમ અને રાગ એ બન્ને શબ્દો સમજાવો.

દાદાશ્રી : રાગ એ પૌદ્ગલિક વસ્તુ છે અને પ્રેમ એ સાચી વસ્તુ છે. હવે પ્રેમ કેવો હોવો જોઈએ ? વધે નહીં, ઘટે નહીં, એનું નામ પ્રેમ કહેવાય. અને વધે-ઘટે એ રાગ કહેવાય. એટલે રાગમાં અને પ્રેમમાં ફેર એવો છે કે પેલું એકદમ વધી જાય તો એને રાગ કહેવાય, એટલે ફસાયો પછી. જો પ્રેમ વધી જાય તો રાગમાં પરિણામ પામે. પ્રેમ ઊતરી જાય તો દ્વેષમાં પરિણામ પામે. એટલે એનું નામ પ્રેમ કહેવાય જ નહીં ને ! એ તો આકર્ષણ ને વિકર્ષણ છે. એટલે આપણા લોકો જેને પ્રેમ કહે છે, તેને ભગવાન આકર્ષણ કહે છે.

પ્રશ્નકર્તા : દ્વેષ જેટલો જ પ્રેમ કે મોહ જોખમદાર છે, બેમાં વધારે જોખમદાર કયું ?

દાદાશ્રી : સંસારી પ્રેમ કરતા દ્વેષ વધારે જોખમદાર છે. પ્રેમની જોખમદારી ઓછી છે. કારણ કે દ્વેષમાંથી પ્રેમ જન્મે છે. દ્વેષ એ બીજ છે. પ્રેમનું બીજ જ દ્વેષ છે, પ્રેમનું બીજ પ્રેમ નથી. સમજ પડે છે તમને ?

તમારે ઘરમાં બધાની જોડે પ્રેમ હોય, પણ તમને દ્વેષ આવે નહીં તો જાણવું કે ફરી બીજ પડવાનું નથી. અને દ્વેષ આવશે તો ફરી ફરી એના બીજ પડ્યા કરશે.

લોક સમજે છે કે પ્રેમથી આ જગત ઊભું રહ્યું છે. પણ પ્રેમથી આ જગત ઊભું નથી રહ્યું,

(પા.૧૦)

વેરથી ઊભું રહ્યું છે. પ્રેમનું ફાઉન્ડેશન જ નથી. આ વેરના ફાઉન્ડેશન પર ઊભું રહ્યું છે, ફાઉન્ડેશન જ વેરના છે. માટે વેર છોડો. એટલે તો અમે વેરનો નિકાલ કરવાનો કહીએ છીએ ને! સમભાવે નિકાલ કરવાનું કારણ જ એ છે.

પ્રેમથી વશ થશે આ જગત

તમે કોઈને ટૈડકાવીને જો જીતો, તો એ જીત્યા ના કહેવાય અને નમ્રતાથી બધો ઉકેલ આવશે. સમભાવે નિકાલ કરવો એટલે શું ? ઉકેલ લાવવો. નમતું જોખો કે ગમે તે રસ્તે પણ ઉકેલ લાવવો. એ તો આપણી આવડત પ્રમાણે નમતું જોખવું. નમતું જોખીને પણ ઉકેલ લાવજો, સમભાવે નિકાલ કરવો. શેનાથી ઉકેલ આવશે ?

પ્રશ્નકર્તા : નમ્રતાથી.

દાદાશ્રી : હા. ભગવાન કેવા ડાહ્યા હતા મહાવીર ભગવાન ! આગળ મોટા મોટા ચક્રવર્તી, તીર્થંકરો થયા, ચક્રવર્તી રાજ હોવા છતાં, નાનું છોકરું ટૈડકાવે તોય ખુશ થઈને વાત કરે એની જોડે. કારણ કે પોતાને મુક્તિમાં જવું છે, મોક્ષમાં જવું છે. આની જોડે ફરી કંઈ બેસી રહેવું છે ? પોતાનું કામ તો લક્ષમાં હોય કે ના હોય ? પોતાનો ધ્યેય લક્ષમાં હોય ને ? એટલે ઉકેલ લાવવો જોઈએ. નહીં તો અત્યારે દબાઈ જાય ને, એ દબાતું નથી પણ એ અંદર સંઘરી રાખે છે. કોઈને દબાવીને તમે સુખી થશો નહીં. એને મુક્તભાવે રાખવો. પ્રેમભાવ રાખવો એની જોડે. પ્રેમથી વશ થશે આ જગત અને પ્રેમ આસક્તિવાળો ના જોઈએ. વધઘટ થાય એવો પ્રેમ ના જોઈએ, એક જ ધારો. આજ સરસ વિચારો હોય તોય પ્રેમ અને પરમ દહાડે દારૂ પીને આવે તોય પ્રેમ. કારણ કે એના કર્મના ઉદય એને બિચારાને ફસવે છે, તેમાં આપણે શું કામ પ્રેમ છોડી દઈએ ? અને પ્રેમ સિવાય બીજું કરશો તો તમે ફસાશો. કોઈના કર્મના ઉદયમાં હાથ ઘાલશો નહીં.

પ્રેમથી ઉછેરવો છોડવાને

પ્રશ્નકર્તા : વ્યવહારમાં કોઈ ખોટું કરતું હોય તો તેને ટકોર કરવી પડે છે, તો એનાથી તેને દુઃખ થાય છે. તો કેવી રીતે એનો નિકાલ કરવો ?

દાદાશ્રી : ટકોર કરવામાં વાંધો નથી, પણ આપણને આવડવું જોઈએ ને ! કહેતા આવડવું જોઈએ ને ?

પ્રશ્નકર્તા : કઈ રીતે કહેવું જોઈએ?

દાદાશ્રી : બાબાને કહીએ, ‘તારામાં અક્કલ નથી, ગધેડો છું.’ આવું બોલીએ તો પછી શું થાય તે ? એનેય અહંકાર હોય કે નહીં ? તમને જ તમારો બોસ કહે કે ‘તમારામાં અક્કલ નથી, ગધેડો છું.’ એવું કહે તો શું થાય? ના કહેવાય આવું. ટકોર કરતા આવડવી જોઈએ.

પ્રશ્નકર્તા : કઈ રીતે ટકોર કરવાની ?

દાદાશ્રી : એને બેસાડવો. પછી કહીએ, આપણે હિન્દુસ્તાનના લોક, આર્ય પ્રજા આપણી, આપણે કંઈ અનાડી નથી અને આપણાથી આવું ન થાય કંઈ. આમતેમ બધું સમજાવી અને પ્રેમથી કહીએ ત્યારે રાગે પડે. નહીં તો તમે તો મારંમાર, લેફ્ટ-રાઈટ, લેફ્ટ-રાઈટ લઈ લો, તે ચાલતું હશે ?

આપણે એમને એમ પૂછવું કે તમે આ બધું કરો છો એ તમને ઠીક લાગે છે, તમે વિચારીને કર્યું આ બધું ? ત્યારે એ કહે કે મને ઠીક નથી લાગતું. તો આપણે કહીએ કે ભઈ, તો શા માટે આપણે નકામું આમ કરવું ? એમ પોતે જરા વિચારીને કહો ને ! પોતે ન્યાયાધીશ હોય છે

(પા.૧૧)

બધા, સમજે છે બધા. ખોટું થયું હોય ને તો પોતે એને સમજે તો ખરો જ. પણ તમે એમ કહો કે તું મૂર્ખ છું અને ગધેડો છું. તેં આ કેમ કર્યું ? ત્યારે ઊલટો પકડ પકડે. ‘‘ના, ‘હું કરું છું’ એ જ ખરું છે, જાવ’’ કહે. ઊંધું કરે પછી.

પરિણામ પ્રેમથી કર્યા સિવાય આવે નહીં. એક છોડવો ઉછેરવો હોય ને, તોય તમે પ્રેમથી ઉછેરો તો બહુ સારો ઉછરે. પણ એમ ને એમ પાણી રેડો ને બૂમાબૂમ કરો તો કશું ના થાય, એક છોડવો ઉછેરવો હોય તો ! તમે કહો કે ઓહોહો! સરસ થયો છોડવો ! તે એને સારું લાગે છે! એય સરસ ફૂલાં આપે મોટાં મોટાં ! તો પછી આ મનુષ્યોને તો કેટલી બધી અસર થતી હશે !

નબળાઈવાળો સામાને શું સુધારે ?

પ્રેમ હોય એનું વાતાવરણ સુંદર હોય ! છોકરા ત્યાંથી ખસે નહીં ત્રણ-ત્રણ કલાક સુધી. બહાર ગોળીઓ આપનાર હોય તો ગોળીઓ ખાવા ના જાય ને અહીં બેસી રહે. શું કારણ ? વાતાવરણ સુંદર હોય, પ્રેમમય હોય, બધાને પોસાય એવું હોય. પણ આ વાતનું, આ લોકોને આ કાળમાં ભાન જ નથી રહ્યું ને !

આજના છોકરાંઓને બહાર જવાનું ગમે નહીં એવું કરી નાખો, કે ઘરમાં આપણો પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ દેખે. પછી આપણા સંસ્કાર ચાલે.

આપણે સુધારવું હોય તો શાક સુધારવું પણ છોકરાઓને ના સુધારવા ! એ લોકોને શાક સુધારતા આવડે. શાક સુધારતા ના આવડે?

પ્રશ્નકર્તા : પણ તો દાદા, મારે શું કરવાનું ?

દાદાશ્રી : આપણું બોલેલું ફળતું ના હોય તો આપણે બંધ થઈ જવું જોઈએ. આપણે મૂરખ છીએ, આપણને બોલતા નથી આવડતું, માટે બંધ થઈ જવું જોઈએ. આપણું બોલેલું ફળે નહીં અને ઊલટું આપણું મન બગડે, આપણો અવતાર બગડે. આવું કોણ કરે તે ?

એક માણસ સુધારી શકાય એવો આ કાળ નથી. એ જ બગડેલો છે, સામાને શું સુધારે તે ? એ જ ‘વિકનેસ’નું પૂતળું હોય, તે સામાને શું સુધારે તે ? એને માટે તો બળવાનપણું જોઈએ. એટલે પ્રેમની જ જરૂર છે.

પ્રશ્નકર્તા : સુધરેલાની વ્યાખ્યા શી ?

દાદાશ્રી : સામા માણસને તમે વઢો તોય એને એમાં પ્રેમ દેખાય. તમે ઠપકો આપો તોય એને તમારામાં પ્રેમ દેખાય કે ઓહોહો ! મારા ફાધરનો મારા પર કેટલો બધો પ્રેમ છે ! ઠપકો આપો, પણ પ્રેમથી આપો તો સુધરે.

અંદરના પ્રયત્નો કરવા, સૂક્ષ્મ રીતે

પ્રશ્નકર્તા : આજે આપે જે રીત બતાવી સુધારવાની, તો એ રીત અપનાવે તો એ વહેલો સુધરે કે પછી એનો સમય આવે ત્યારે જ સુધરે?

દાદાશ્રી : વહેલો સુધરે, આપણા પ્રયત્ન રહેવા જોઈએ. પણ જે પ્રયત્નો આપણા રિએક્શનરી હોય એવા પ્રયત્નમાં નહીં પડવું જોઈએ. આપણે એને ટૈડકાવીએ એ એને ખરાબ લાગે. એ પ્રયત્ન, પ્રયત્ન ના કહેવાય એને. આપણે અંદરથી કરવા જોઈએ એને, સૂક્ષ્મ રીતે. જો સ્થૂળ રીતે ના ફાવતું હોય આપણને પોતાને તો સૂક્ષ્મ રીતે કરો. નહીં તો વધારે ઠપકો નહીં આપવો પણ થોડું કહી દેવું, કે ‘ભઈ, આપણને આ શોભે નહીં.’ આમ એક શબ્દ કહીને પછી બંધ રાખવું, કંટ્રોલમાં રાખવો શબ્દ. કહેવું તો પડે જ પણ કહેવાની રીત હોય. એટલે છે તે એના માટે આપણો પ્રેમ જોઈએ. તમે

(પા.૧૨)

ઠપકો આપો પણ પ્રેમથી ઠપકો આપો ને, તો સુધરે.

જગતને સુધારવાનો રસ્તો - ‘પ્રેમ’

આ બધું સુધારવાનું હોય ને, તો પ્રેમથી સુધરે. આ બધાને હું સુધારું છું ને, એ પ્રેમથી સુધારું છું. આ અમે પ્રેમથી જ કહીએ છીએ ને ! પ્રેમથી કહીએ એટલે વસ્તુ બગડે નહીં અને સહેજ દ્વેષથી કહીએ કે એ વસ્તુ બગડી જાય. દૂધમાં દહીં પડ્યું ના હોય અને અમથી જરા હવા લાગી ગઈ, તોય એ દૂધનું દહીં થઈ જાય.

એટલે પ્રેમથી બધું બોલાય. જે પ્રેમવાળા માણસ છે ને, તે બધું બોલી શકે. એટલે અમે શું કહેવા માગીએ છીએ ? પ્રેમસ્વરૂપ થાવ તો આ જગત તમારું જ છે. જ્યાં વેર હોય ત્યાં વેરમાંથી ધીમે ધીમે પ્રેમસ્વરૂપ કરી નાખો. વેરથી આ જગત આવું બધું ‘રફ’ (ના ગમે તેવું) દેખાય છે. જુઓ ને, અહીં પ્રેમસ્વરૂપ, કોઈને જરાય ખોટું લાગતું નથી ને કેવો આનંદ બધા કરે છે!

આ જગતના પાંચ જણનેય સુધારવા હોય તો પ્રેમથી સુધારી શકશો. બાકી કોઈએ સુધાર્યો નથી, એક માણસ સુધર્યો નથી. પોતે જ સુધર્યો નથી, ત્યાં સુધી બીજાને શી રીતે સુધારે ? અને પ્રેમમૂર્તિ થયા સિવાય કોઈ દહાડો કશું સુધરવાનું નથી.

પ્રેમમાં અપેક્ષા ન હોય

પ્રશ્નકર્તા : આપ જે પ્રેમની વાત કરો છો, એ પ્રેમમાં અપેક્ષાઓ હોય ખરી ?

દાદાશ્રી : અપેક્ષા ? પ્રેમમાં અપેક્ષા ના હોય. દારૂ પીતો હોય તેની પરેય પ્રેમ હોય અને દારૂ ના પીતો હોય તેની પરેય પ્રેમ હોય. પ્રેમ સાપેક્ષ ના હોય.

પ્રશ્નકર્તા : પ્રેમમાં સામાનું વર્તન કેવું હોય ?

દાદાશ્રી : એ તો આપણા તરફનું કોઈ પણ જાતનું એને સુખ ના મળે, દુઃખ જ મળ્યા કરે, તોય એ પ્રેમથી સરસ સંભાળે ત્યારે આપણે જાણવું કે ના, કહેવું પડે ! દુઃખ જ મળ્યા કરે આપણાથી, સુખ તો મળે નહીં પણ એણે કલ્પના સુખની સેવેલી હોય આપણી પાસે, અપેક્ષા, તે અપેક્ષા પૂરી થાય નહીં ને ઊલટું ઉપરથી દુઃખ મળે તોય પ્રેમનું સેવન કરે.

પ્રેમમાં ના દેખે કોઈ દોષ

પ્રશ્નકર્તા : વધે નહીં ને ઘટે નહીં એ સિવાય પ્રેમ વિશે વધારે કહો ને, દાદા.

દાદાશ્રી : પ્રેમમાં દોષ દેખાય જ નહીં. અને આ તો લોકોને કેટલા દોષ દેખાય? ‘તું આવી ને તું તેવી.’ અલ્યા, પ્રેમ કહેતો હતો ને ! ક્યાં ગયો પ્રેમ? એટલે નહોય પ્રેમ.

આ છોકરીઓ ધણી પાસ કરે છે, આમ જોઈ કરીને પાસ કરે છે, પછી વઢતી નહીં હોય ? વઢે ખરી? તો એને પ્રેમ કહેવાય જ નહીં ને! પ્રેમ તો કાયમનો જ હોય. જ્યારે જુએ ત્યારે એ જ પ્રેમ, એવો જ દેખાય એનું નામ પ્રેમ કહેવાય અને ત્યાં આશ્વાસન લેવાય. આ તો આપણને પ્રેમ આવતો હોય અને એક દહાડો એ રિસાઈને બેઠી હોય, ત્યારે બળ્યો તારો પ્રેમ ! નાખ ગટરમાં અહીંથી, મોઢું ચઢાવીને ફરતા હોય તેવા પ્રેમને શું કરવાનો ? તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : ક્યારેય પણ મોઢું ના બગાડે એવો પ્રેમ હોવો જોઈએ. એ પ્રેમ અમારી પાસે મળે. ધણી ટૈડકાવે તોય પ્રેમ વધઘટ ના થાય, એવો પ્રેમ જોઈએ. હીરાના કાપ લાવી આપે તે ઘડીએ પ્રેમ વધી જાય તેય આસક્તિ. એટલે આ

(પા.૧૩)

જગત આસક્તિથી ચાલી રહ્યું છે.

જ્યાં પ્રેમ ત્યાં નોંધ નહીં

પ્રશ્નકર્તા : આ વર-વહુનું પણ એવું જ હોય છે ને ? ‘હું તને ચાહું છું, હું તને પ્રેમ કરું છું’ કહે, પણ પછી પાછા ઝગડે.

દાદાશ્રી : આનું નામ જ આસક્તિ. ઠામ નહીં ને ઠેકાણું નહીં ! મોટા ચાહવાવાળા ! આ ખરો ચાહવાવાળો તો મરતાં સુધી હાથ ના છોડે. બીજું બધું બને તે નોંધ લેવામાં ના આવે. જ્યાં પ્રેમ છે ત્યાં નોંધ જ ના હોય. નોંધવહી રાખો ને પ્રેમ રાખો, બે બને નહીં. નોંધવહી રાખીએ કે ‘આમ કર્યું ને તેમ કર્યું,’ તો પ્રેમ ના હોય ત્યાં આગળ.

આ અમારે આટલા બધા છે, પણ કોઈની નોંધ નહીં. બધાનું કંઈનું કંઈએ થઈ જાય તોય પણ નોંધ નહીં. બહારેય નોંધ નહીં ને અંદરેય નોંધ નહીં. નહીં તો અમારું ટેન્શન ના હોય તોય ઊભું થઈ જાય. આ તો રાત્રે કે જે ઘડીએ આવો, તે ઘડીએ અમે ટેન્શનરહિત હોઈએ ને ! એટલે ભાંજગડ જ નહીં ને ! અમારી તબિયત મહીં નરમ થાય તો કોઈ કહે, ‘દાદા, તો હસે છે !’ અલ્યા, ‘ટેન્શન’ નથી તેથી હસે છે! એટલે કોઈની પંચાતમાં નહીં પડવાનું. આ દેહનીય પંચાતમાં પડીએ કે ‘એનું આમ થઈ ગયું, આમ થઈ ગયું,’ તો ‘ટેન્શન’ ઊભું થાય ને !

પ્રશ્નકર્તા : જ્યાં પ્રેમ છે ત્યાં નોંધ થતી નથી, એ વાત બહુ મોટી નીકળી.

દાદાશ્રી : હા, જે પ્રેમમાં નોંધ હોય ત્યાં પ્રેમ નથી ! આ જગતનો પ્રેમ તો નોંધવાળો છે. ‘આજે મને આવું કહી ગયા’ એવું કહે, ત્યારે એ પ્રેમ શાનો તે ? જો પ્રેમ છે તો નોંધ ના જોઈએ. નહીં તો આસક્તિ થઈ જશે. પ્રેમ વધઘટ થાય એને આસક્તિ કહેવાય. આ જગત તો નોંધ રાખ્યા વગર રહે જ નહીં ને ! ભલે મોઢે કહી ના બતાવે પણ મનમાં કહેશે, ‘મને પરમ દહાડે કહી ગયા હતા.’ તે એના મનમાં રાખે ને ? એટલે નોંધ તો છે ને, એની પાસે? જેની પાસે નોંધ નહીં તેનો સાચો પ્રેમ ! અમારી પાસે નોંધવહી જ નથી, તે ચોપડો જ ક્યાંથી હોય? નોંધવહી હોય તો ચોપડો હોય. હવે તમે નોંધવહી નાખી દેજો. એને બીજા કોઈ શેઠને આપી દેજો. નોંધવહી નથી રાખવા જેવી !

પ્રશ્નકર્તા : નોંધ રાખે કે ‘તેં મને આવું કહ્યું, તેં આવું કહ્યું.’ તેથી વળી પાછો પ્રેમ તૂટી જાય.

દાદાશ્રી : હા, પણ નોંધ રાખ્યા વગર રહે નહીં. વહુ હઉ નોંધ રાખે ને ? તારી વહુ નોંધ નહીં રાખતી હોય?

પ્રશ્નકર્તા : દાદા, એ તો બધા જ રાખે. પણ જ્ઞાને કરીને એ નોંધને, આપણે પ્રતિક્રમણ કરીને લૂછી શકાય ખરું ને ?

દાદાશ્રી : એ ગમે એમ લૂછવા જાવ ને, તોય કશું વળે નહીં. નોંધ રાખી ત્યાંથી લૂછવાથી વળે નહીં. નોંધ ઢીલી થાય પણ એ બોલ્યા વગર રહે નહીં ને ! આ ભાઈ ગમે તે કરે કે તમારામાં ગમે તે ફેરફાર થાય તોય અમે એની નોંધ ના રાખીએ. તે અમારે ડખલ જ નહીં ને, કોઈ જાતની ! તેં જોયેલું, ‘દાદા’ને કોઈ દહાડો નોંધ હોય તારી, એમ ?

પ્રશ્નકર્તા : કદીયે નહીં.

દાદાશ્રી : હા, કોઈની નોંધ ના હોય.

(પા.૧૪)

પ્રશ્નકર્તા : એટલે એ શુદ્ધ પ્રેમ કહેવાય ?

દાદાશ્રી : હા, એ શુદ્ધ પ્રેમ કહેવાય. એટલે તું મને અળખામણો કોઈ દહાડો લાગે જ નહીં. તું મને વહાલો જ લાગ્યા કરે. તેં પરમ દહાડે અવળું કર્યું હોય, તેને મારે કશું લેવાદેવા નહીં. હું નોંધ રાખું ત્યારે ભાંજગડ ને ! હું જાણું કે તારામાં તો નબળાઈ ગઈ નથી, તેથી ઊંધું થાય જ ને !

પ્રેમમાં હોય વિશાળતા

આ તમે તમારો પ્રેમ સંકુચિત કરેલો છે, કે ‘આ મારી વાઈફ ને આ છોકરાં.’ જ્યારે મારો પ્રેમ વિસ્તારપૂર્વક છે.

પ્રશ્નકર્તા : પ્રેમ એટલો સંકુચિત હોઈ શકે કે એક જ પાત્ર પ્રત્યે સીમિત જ રહે ?

દાદાશ્રી : સંકુચિત હોય જ નહીં, એનું નામ પ્રેમ. સંકુચિત હોય કે આટલા ‘એરિયા’ પૂરતું જ, તો તો આસક્તિ કહેવાય. તે સંકુચિત કેવું? ચાર ભાઈઓ હોય અને ચારેયને ત્રણ-ત્રણ છોકરાં હોય અને ભેગા રહેતા હોય, તો ત્યાં સુધી બધા ઘરમાં ‘અમારું, અમારું’ બોલે. ‘અમારા પ્યાલા ફૂટ્યા’ બધા એવું બોલે. પણ ચાર જ્યારે જુદા થાય તેને બીજે દહાડે, આજ બુધવારને દહાડે છૂટા થાય તો ગુરુવારને દહાડે એ જુદું જ બોલે, કે ‘એ તમારું ને આ અમારું.’ આમ સંકુચિતતા આવતી જાય. એટલે આખા ઘરમાં પ્રેમ જે વિકાસ પામેલો હતો, તે હવે આ જુદું થયું એટલે સંકુચિત થઈ ગયો. પછી આખી પોળ તરીકે, યુવકમંડળ તરીકે કરવો હોય, તો પાછો એનો પ્રેમ ભેગો હોય. બાકી પ્રેમ ત્યાં સંકુચિતતા ના હોય, વિશાળતા હોય.

નિરાગ્રહતાથી પ્રગટે શુદ્ધ પ્રેમ

એટલે પ્રેમસ્વરૂપ ક્યારે થવાય ? કાયદા-બાયદા ના ખોળો ત્યારે. જો કાયદા ખોળશો તો પ્રેમસ્વરૂપ થવાય નહીં ! ‘કેમ મોડા આવ્યા’ કહે એ પ્રેમસ્વરૂપ ના કહેવાય અને પ્રેમસ્વરૂપ થશો ત્યારે લોકો તમારું સાંભળશે. હા, તમે આસક્તિવાળા તો તમારું કોણ સાંભળે ?

એટલે જ્યાં પ્રેમ ના દેખાય ત્યાં મોક્ષનો માર્ગ જ નથી. આપણને બોલતાંય ના આવડે તોય એ પ્રેમ રાખે તો જ સાચું.

એટલે એક પ્રમાણિકપણું અને બીજું પ્રેમ, કે જે પ્રેમ વધઘટ ના થાય, આ બે જગ્યાએ ભગવાન રહે છે. કારણ કે જ્યાં પ્રેમ છે, નિષ્ઠા છે, પવિત્રતા છે, ત્યાં જ ભગવાન છે.

આખું ‘રિલેટિવ ડિપાર્ટમેન્ટ’ (અનાત્મ વિભાગ) ઓળંગી જાય ત્યારે નિરાલંબ થાય, ત્યારે પ્રેમ ઉત્પન્ન થાય. ‘જ્ઞાન’ ક્યાં સાચું હોય ? જ્યાં પ્રેમથી કામ લેવામાં આવતું હોય ત્યાં. અને પ્રેમ હોય ત્યાં લેવડદેવડ ના હોય. પ્રેમ હોય ત્યાં એકતા હોય. જ્યાં ફી હોય ત્યાં પ્રેમ ના હોય. લોક ફી રાખે છે ને, પાંચ-દસ રૂપિયા, કે ‘આવજો, તમારે સાંભળવું હોય તો, અહીં નવ રૂપિયા ફી છે’ કહેશે. એટલે એ ધંધો થઈ ગયો ! ત્યાં પ્રેમ ના હોય. રૂપિયા હોય ત્યાં પ્રેમ ના હોય. બીજું, જ્યાં પ્રેમ ત્યાં ટ્રિક (યુક્તિ) ના હોય ને જ્યાં ટ્રિક ત્યાં પ્રેમ ના હોય.

જ્યાં સૂઈ ગયા ત્યાંનો જ આગ્રહ થઈ જાય. ચટાઈમાં સૂતો હોય તો તેનો આગ્રહ થઈ જાય ને ડનલોપના ગાદલામાં સૂતો હોય તો તેનો આગ્રહ થાય. ચટાઈ પર સૂવાના આગ્રહવાળાને ગાદલામાં સૂવાડો તો તેને ઊંઘ ના આવે. આગ્રહ તે જ વિષ છે અને નિરાગ્રહતા એ જ અમૃત છે. નિરાગ્રહીપણું જ્યાં સુધી ઉત્પન્ન ના થાય ત્યાં સુધી જગતનો

(પા.૧૫)

પ્રેમ સંપાદન ના થાય. શુદ્ધ પ્રેમ નિરાગ્રહતાથી પ્રગટે છે અને શુદ્ધ પ્રેમ તે જ પરમેશ્વર છે.

પ્રેમના પાવરમાં ના મળે સત્તા

સામાનો અહંકાર ઊભો જ ના થાય. સત્તાવાહી અવાજ અમારો ના હોય. એટલે સત્તા ના હોવી જોઈએ. છોકરાને તમે કહો ને, તો સત્તાવાહી અવાજ ના હોવો જોઈએ.

પ્રશ્નકર્તા : હા, આપે કહેલું કે કોઈ આપણા માટે બારણાં વાસી દે, તે પહેલાં આપણે અટકી જવું.

દાદાશ્રી : હા, ખરી વાત છે. એ બારણાં વાસી દે, તે પહેલાં આપણે અટકી જવું જોઈએ. તે એને વાસી દેવાં પડે ત્યાં સુધી આપણી મૂર્ખાઈ કહેવાય. આવું ના હોવું જોઈએ અને સત્તાવાહી અવાજ તો કોઈ દહાડો મારો નીકળ્યો જ નથી. એટલે સત્તાવાહી અવાજ ના હોવો જોઈએ. છોકરો નાનો હોય ત્યાં સુધી સત્તાવાહી અવાજ દેખાડવો પડે, કે ચૂપ બેસી જા. તેય હું તો પ્રેમ જ દેખાડું. હું તો પ્રેમથી વશ કરવા માંગું.

પ્રશ્નકર્તા : પ્રેમમાં જેટલો પાવર છે એટલો પાવર સત્તામાં નહીં ને?

દાદાશ્રી : ના. પણ તમને પ્રેમ ઉત્પન્ન થાય નહીં ને, જ્યાં સુધી પેલો કચરો નીકળી ના જાય. કચરો બધો કાઢે છે કે નથી કાઢતી? કેવા સરસ હાર્ટવાળા ! જે હાર્ટિલી હોયને તેની જોડે ડખો ના કરવો. તારે એની જોડે સારું રહેવું. બુદ્ધિવાળા જોડે ડખો કરવો, કરવો હોય તો.

છોડ રોપ્યો હોય તો, તમારે એને વઢ વઢ નહીં કરવાનું કે જો તું વાંકો ના થઈશ, ફૂલ મોટાં લાવજે. આપણે એને ખાતર અને પાણી આપ્યા કરવાનું. જો ગુલાબનો છોડ આટલું બધું કામ કરે છે, તો પછી આ છોકરાઓ તો મનુષ્ય છે. અને મા-બાપો ધબેડે હઉ, મારે હઉ !

હંમેશાં પ્રેમથી જ સુધરે દુનિયા. એ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી એના માટે. જો ધાકથી સુધરતું હોય ને, તો આ સરકાર લોકશાહી ઉડાડી મેલે અને જે કોઈ ગુનો કરે, એને જેલમાં ઘાલી અને ફાંસી કરે. પ્રેમથી જ સુધરે જગત.

પ્રેમમાં નભાવે સર્વ ભૂલો

ઘરના જોડે નફો થયો ક્યારે કહેવાય કે ઘરનાંને આપણા ઉપર પ્રેમ આવે, આપણા વગર ગમે નહીં ને ક્યારે આવે, ક્યારે આવે એવું એમને રહ્યા કરે. લોકો પરણે છે પણ પ્રેમ નથી, આ તો માત્ર વિષય આસક્તિ છે. પ્રેમ હોય તો ગમે તેટલો એકબીજામાં વિરોધાભાસ આવે છતાં પ્રેમ ના જાય. જ્યાં પ્રેમ ના હોય તે આસક્તિ કહેવાય. આસક્તિ એટલે સંડાસ! પ્રેમ તો પહેલા એટલો બધો હતો કે ધણી પરદેશ ગયો હોય ને તે પાછો ના આવે તો આખી જિંદગી એનું એમાં જ ચિત્ત રહે, બીજા કોઈ સાંભરે જ નહીં. આજે તો બે વરસ ધણી ના આવે તો બીજો ધણી કરે ! આને પ્રેમ કેમ કહેવાય ? આ તો સંડાસ છે, જેમ સંડાસ બદલે છે તેમ ! જે ગલન છે તેને સંડાસ કહેવાય. પ્રેમમાં તો અર્પણતા હોય !

પ્રેમ એટલે લગની લાગે તે. તે આખો દહાડો યાદ આવ્યા કરે. શાદી બે રૂપે પરિણામ પામે; કોઈ વખત આબાદીમાં જાય, તો કોઈ વખત બરબાદીમાં જાય. પ્રેમ બહુ ઊભરાય તે પાછો બેસી જાય. જે ઊભરાય છે તે આસક્તિ છે. માટે જ્યાં ઊભરાય તેનાથી દૂર રહેવું. લગની તો આંતરિક હોવી જોઈએ. બહારનું ખોખું બગડી જાય, કહોવાઈ જાય તોય પ્રેમ એટલો ને એટલો જ રહે. આ તો હાથ દઝાયો હોય ને આપણે કહીએ કે ‘જરા ધોવડાવો’

(પા.૧૬)

તો ધણી કહેશે કે ‘ના, મારાથી નથી જોવાતું’! અલ્યા, તે દહાડે તો હાથ પંપાળ પંપાળ કરતો હતો ને આજે કેમ આમ ? આ ઘૃણા કેમ ચાલે ? જ્યાં પ્રેમ છે ત્યાં ઘૃણા નથી ને જ્યાં ઘૃણા છે ત્યાં પ્રેમ નથી. સંસારી પ્રેમ પણ એવો હોવો જોઈએ કે જે એકદમ ઓછો ના થઈ જાય કે એકદમ વધી ના જાય, નોર્માલિટીમાં હોવો જોઈએ.

પ્રેમ બધે હોવો જોઈએ. આખા ઘરમાં પ્રેમ જ હોવો જોઈએ. જ્યાં પ્રેમ છે ત્યાં ભૂલ ના કાઢે કોઈ. પ્રેમમાં ભૂલ ના દેખાય. આ પ્રેમ નથી, ઈગોઈઝમ છે, ‘હું ધણી છું’ એવું ભાન છે. પ્રેમ એનું નામ કહેવાય કે ભૂલ ના લાગે. પ્રેમમાં ગમે તેટલી ભૂલ હોય તો નભાવી લે. તમને સમજાય છે?

પ્રશ્નકર્તા : હા જી.

દાદાશ્રી : એટલે ભૂલચૂક થાય કે પ્રેમની ખાતર જવા દેવી. આ છોકરા પર તને પ્રેમ હોય તો ભૂલ ના દેખાય છોકરાની. ભૂલ હશે, કશો વાંધો નહીં. પ્રેમ નભાવી લે બધું, નભાવી લે ને ?

હોમી દે જાત એ છે સાચો પ્રેમ

પ્રેમ જેવું હતું તેય સતયુગમાં હતું. સતયુગમાં સારું હતું. કળિયુગમાં આ તો બધા એવા વિચિત્ર છેને, આમ ખોળીને સારો ધણી લઈ આવે, રૂપાળો બમ્ જેવો અને પછી કડવો નીકળે તે આખી જિંદગી બગડે બિચારીની. એક જ દહાડો જો ખાવાનું સારું ના બનાવ્યું હોય તો પ્રેમવાળો ધણી હોય તે કકળાટ કરતો હશે ? પણ ના, આ કકળાટ કરી મૂકે, ‘તારામાં અક્કલ નથી ને તું આમ છે ને તું તેમ છે’ કહે. રોજ સારું બને ત્યારે ઈનામ નથી આપતો અને એક જ દહાડો ખાવાનું બગડે તે દહાડે આવી બને ! એટલે પ્રેમ જેવું નથી. પ્રેમ જ નથી ને, સ્વાર્થ છે બધો !

જ્યાં બહુ પ્રેમ આવે ત્યાં જ અણગમો થાય એ માનવ સ્વભાવ છે. જેની જોડે પ્રેમ હોય ને, માંદા થઈએ ત્યારે તેની જોડે જ કંટાળો આવે. એ ગમે નહીં આપણને. ‘તમે જાવ અહીંથી, આઘા બેસો’, એવું કહેવું પડે છે.

એ સ્ત્રી જોડે જો કોઈ સારી રીતે વ્યવહાર કરેલો હોય, તોય હું ક્યારે કહું ડાહ્યો માણસ એને, કે પંદર વર્ષની ઉંમરથી વ્યવહાર થયો છે તે એંસી વર્ષે એવો ને એવો જ વ્યવહાર રહે, એટલો જ પ્રેમ રહે, ઊતરી ના જાય તો હું કહું કે ડાહ્યો છે. આ તો પેલા ગાતર ઢીલાં દેખાય પછી ચીડાયા કરે. અરે, એક ગૂમડું થયું હોય ત્યારે જોડે ફરવા તેડી જાય ? સિનેમા જોવા ના લઈ જાય જોડે ? અહીં દઝાયું હોય કે પરું નીકળ્યું હોય ત્યારે ? એટલે આ બધી જોખમદારી નથી સમજવી અને પ્રેમ કરવો છે ! આવ્યા મોટા પ્રેમવાળા ! પ્રેમ તો એનું નામ કહેવાય કે બધી રીતે સાથે હોય. એનો હાથ દઝાયો તો આપણો હાથ દાઝયા જેટલું હોય, એવું હોય ત્યારે પ્રેમ કહેવાય. એને ગૂમડું થયું હોય ને, તો આપણને થયા બરાબર હોય. આપણને ગૂમડું થયું હોય તો આપણે બહાર જઈએ કે ના જઈએ ? તો વહુને ગૂમડું થયું હોય તો જોડે ના લઈ જઈએ ? ત્યારે જે પ્રેમમાં પોતાની જાત જ હોમી દે, જાતને ‘સેફસાઈડ’ રાખે નહીં ને જાતને હોમી દે એ પ્રેમ ખરો. એ તો અત્યારે મુશ્કેલ વાત છે.

પ્રશ્નકર્તા : આ પ્રેમને શું કહેવાય ? આને અનન્ય પ્રેમ કહેવાય?

દાદાશ્રી : આને પ્રેમ કહેવાય સંસારમાં. આ આસક્તિમાં ના ગણાય અને એનું ફળેય બહુ ઊંચું મળે. પણ એવું પોતાની જાતને હોમવી, એ બને નહીં ને ! આ તો પોતાની જાતને ‘સેફસાઈડ’ (સલામત) રાખીને કામ કર્યા કરે છે ને ‘સેફસાઈડ’

(પા.૧૭)

ના કરે એવી સ્ત્રીઓ કેટલી ને એવા પુરુષો કેટલા?

આ તો સિનેમામાં જતી વખતે આસક્તિના તાનમાં ને તાનમાં ને આવતી વખતે ‘અક્કલ વગરની છે’ કહે. ત્યારે પેલી કહે, ‘તમારામાં ક્યાં વેતા છે ?’ એમ વાતો કરતા કરતા ઘેર આવે. આ અક્કલ ખોળે ત્યારે પેલી વેતા જોતી હોય !

નિર્મળ પ્રેમની તો વાત જ જુદી

ઘાટ વિનાના નિર્મળ પ્રેમની,

પંદરે ક્ષેત્રોમાં ફેલી જો સુવાસ... - નવનીત

ઘાટ વગરનો પ્રેમ શીખી લાવો બધા, એ શીખવા જેવું છે. આમ પ્રેમ તો સહુ કોઈ રાખે છે, પણ ઘાટ વગરના પ્રેમની તો વાત જ જુદી ને! આ બધા રાખે છે ને, તે પ્રેમ નથી રાખતા ? પણ હવે ફક્ત મહીંથી ઘાટ કાઢી લઈએ તો શું થયું ? પંદર ક્ષેત્રોમાં સુવાસ ફેલાય, એવું કવિરાજ કહે છે!

મહીંથી બધો ઘાટ કાઢી લઈએ, પછી રહ્યું શું? નિર્મળ પ્રેમ રહ્યો! ‘આ મારે કામનો છે’ એવો વિચાર આવવો જ કેમ જોઈએ ? કેટલાકને તો કશું થયું ના હોય, તોય ડૉક્ટર આવે તો ઊભો થઈને કહે, ‘આવો ડૉક્ટર, આવો !’ મનમાં કહે કે ‘કો’ક દહાડો કામના છે.’ અલ્યા, તું માંદો પડે ક્યારે ને આ ભેગો થાય ક્યારે ? આ ક્યાં સુધીનો કામનો છે? અરે, રસોઈયો રસ્તામાં મળે તો તે તેને, ‘અલ્યા, આવ આવ’ કરે ! અલ્યા ભઈ, કેમ આને તમે આટલું બોલાવ બોલાવ કરો છો ? ત્યારે કહે, ‘કો’ક દહાડો કામ પડે ત્યારે રસોઈયાને બોલાવાય ને !’ શું ઘાટવાળા! જાણે અહીંથી જવાનું ના હોય ને, એવી વાતો કરે છે ને ! નનામી ના કાઢવાની હોય, એવી વાતો કરે છે ને !

શાના ઘાટ રાખો છો, નનામી નીકળવાની ત્યાં? જ્યાં નનામી નીકળવાની હોય ત્યાં ઘાટ તો હોતો હશે ? ‘કો’ક દહાડો કામ લાગશે.’ અલ્યા, નનામી કાઢવાની હોય એ દેશમાં ‘કો’ક દહાડો’ તો હોતો હશે? થોડા દહાડા પછી નનામી નીકળવાની! જે ડૉક્ટરની આશા રાખી તે ડૉક્ટર અહીંથી જતો રહે, છતાંય પણ લોક એવું એવું જુએ ખરાં ને, કે ‘ડૉક્ટર કામના છે, વકીલ કામના છે !’ એવું ના જુએ ? હા. કોઈ શેઠ આવે તોય કહે, ‘હા, કામના છે.’ તે ‘આવો આવો શેઠ, આવો’ કરે. ‘કો’ક દહાડો સો રૂપિયા માગીશું તો મળશે !’ લોક ઘાટમાં જ બોલાવ બોલાવ કરે છે ને ! બધો ઘાટવાળો પ્રેમ, તે આવું ન હોવું જોઈએ.

ચોખ્ખો-નિર્મળ પ્રેમ ! એ સિવાય એની પાસે કંઈ આશા જ રાખવી નહીં. આ બે હાથવાળા મનુષ્યો પાસે શું આશા રાખવા જેવી ? ક્યાંય પાંચ હાથવાળા મનુષ્યો જોયા ? આ તો સંડાસ થાય ત્યારે દોડ દોડ કરે, એની તે શી આશા રાખવાની ? અરે, જુલાબ લીધો હોય ને, તો મોટો કલેક્ટર હોય તોય દોડધામ કરે ! અરે, તું કલેક્ટર છે, તો જરા ધીમે રહીને ચાલ ને! ત્યારે કહે કે ‘ના, જુલાબ થઈ ગયો છે !’ ત્યારે નહોય તારી પાસે આશા રાખવા જેવી, તું આશા રાખવા જેવો માણસ જ નહોય. આમની પાસે શું આશા રાખવાની ? આ ઘાટ રાખવા જેવું છે ? તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : દાદા કહે છે, એમ જ છે.

દાદાશ્રી : હા, માટે ચોખ્ખું કરી નાખો ને, હજુ કંઈ જરા મેલું હોય તો ! ઘરમાં હઉ ચોખ્ખું રાખવું. ઘાટવાળો પ્રેમ ન જોઈએ. ‘આ મારે કામ શું લાગશે’ એવું ના હોવું જોઈએ.

શુદ્ધાત્મા તરફ દ્રષ્ટિ એ જ પ્રેમ ! પછી

(પા.૧૮)

વહુને અહીં આગળ મોટી મોટી રસોળી નીકળી હોય તોય આપણને મનમાં ક્લેશ ના થાય. નહીં તો મોઢું સારું દેખાય ત્યાં સુધી એના પર ભાવ રહ્યા કરે ને અહીં રસોળી નીકળી કે ચૂન ચૂન ચૂન થાય; આવું થાય કે નહીં ?

પ્રશ્નકર્તા : થાય, દુર્ભાવ થાય.

દાદાશ્રી : અરે, અભાવ થાય, અભાવ !

હવે બધું ઘાટવાળું થઈ ગયું. મેલોને પૂળો, કશા હારુ ઘાટ ના કરીશ. એની મેળે જો આપી જાય તો ઠીક છે, નહીં તો એમને એમ ચલાવજે ને! આ ભૌતિક માટે વળી ઘાટ શા કરવા ? ઘાટ એટલે તો આ સ્ત્રી ઉપર કુદ્રષ્ટિ કરીએ અને ઘાટ કરીએ, એ બે સરખું છે ! બાપને દીકરાની ઉપર ઘાટ હોય છે અને દીકરાને બાપ ઉપર ઘાટ હોય છે ! શું ઘરમાંય ઘાટ નથી?

એટલે આ બધું નર્યું ઘાટવાળું છે. આ આપણે અહીં એકલું જ ઘાટ વગરનું સ્થાન છે, તેથી અહીં આગળ બધા એકતા અનુભવે છે. જ્યાં ઘાટ ના હોય ત્યાં પરમાત્મા અવશ્ય હોય. ઘાટથી ભગવાન વેગળા હોય.તેથી અહીં આ બધાને આનંદ આવે છે, બધાને એકતા લાગે છે!

સાચો પ્રેમ તો ‘જ્ઞાની’ પાસે હોય

જગત આસક્તિને પ્રેમ ગણીને મૂંઝાય છે. સ્ત્રીને ધણી જોડે કામ ને ધણીને સ્ત્રી જોડે કામ, આ બધું કામથી જ ઊભું થયું છે. કામ ના થાય તો મહીં બધા બૂમો પાડે, હલ્લો કરે. સંસારમાં એક મિનિટ પણ પોતાનું કોઈ થયું જ નથી. પોતાનું કોઈ થાય નહીં. એ તો જ્યારે અટકે ત્યારે ખબર પડે. એક કલાક છોકરાને આપણે ટૈડકાવીએને ત્યારે ખબર પડે કે છોકરો આપણો છે કે પારકો છે. દાવો માંડવા હઉ તૈયાર થઈ જાય. ત્યારે બાપેય શું કહે ? ‘મારી જાત કમાણી છે. તને એક પાઈ નહીં આપું’ કહે. ત્યારે છોકરો કહે, ‘હું તમને મારી-ઠોકીને લઈશ.’ આમાં પોતાપણું હોતું હશે ? એક જ્ઞાની પુરુષ જ પોતાના થાય.

આપણે ધણી જોડે પ્રેમની આશા રાખવી નહીં અને એ આપણી પાસે પ્રેમની આશા રાખે તો એ મૂરખ છે. આ તો આપણે કામ પૂરતું કામ ! હોટલવાળાને ત્યાં ઘર માંડવા જઈએ છીએ આપણે ? ચા પીવા માટે જઈએ તો પૈસા આપીને પાછા ! એવી રીતે કામ પૂરતું કામ કરી લેવાનું આપણે.

બાકી, આમાં પ્રેમ જેવી વસ્તુ જ નથી. આ સંસારમાં પ્રેમ ખોળશો નહીં. કોઈ જગ્યાએ પ્રેમ હોય નહીં. પ્રેમ તો ‘જ્ઞાની પુરુષ’ પાસે હોય.

પ્રશ્નકર્તા : એ જ્ઞાની પુરુષના સાચા પ્રેમના સ્વરૂપ વિશે વિશેષ ફોડ આપો ને !

દાદાશ્રી : અમે એક જ દ્રષ્ટિએ જોઈએ, સાચો પ્રેમ કે આ ભાઈ છે તે એમના ફૉરેન ડિપાર્ટમેન્ટને અમે જોઈએ નહીં, હોમ ડિપાર્ટમેન્ટની અમે તપાસ રાખીએ. ફૉરેન તો કોઈનું સડેલું હોય, કોઈનું સારુંય હોય, કોઈનું ખરાબ હોય. કોઈ રત્નાગિરીની હાફુસ જેવો હોય, કોઈ લંગડા જેવો હોય. કોઈ ભાંજગડમાં અમે પડીએ નહીં. અમે તો હોમ ડિપાર્ટમેન્ટ જોડે સંબંધ, એના શુદ્ધાત્મા જોડે સંબંધ. એને કંઈ અડચણ આવે તો અમે જો એનો કંઈ કીમિયો થતો હોય તો કરીએ.

પ્રશ્નકર્તા : દાદાને ખબર પડે કે સાચો પ્રેમ છે કે ખોટો પ્રેમ છે, પણ અમને ક્યાંથી એ ખબર પડે ?

દાદાશ્રી : તમારો જેટલો ખોટો પ્રેમ

(પા.૧૯)

(આસક્તિ)હશે એટલા જ તમારી જોડે બધા ખેંચાશે. અને એ જ તમને રાગ-દ્વેષથી વળગશે. તમારી પાસે જ્યાં સુધી (આસક્તિની) સિલક છે, ત્યાં સુધી આ સિલક આવ્યા કરવાની અને તમારી પાસે જો સિલક નહીં હોય તો એ સિલક ભેગી નહીં થાય.

સાચો પ્રેમ ક્યાંથી લાવે ?

પ્રશ્નકર્તા : તો એ સાચો પ્રેમ કેવી રીતે લાવવો ?

દાદાશ્રી : સાચો પ્રેમ ક્યાંથી લાવે ? એ તો અહંકાર ને મમતા ગયા પછી જ પ્રેમ હોય. અહંકાર ને મમતા ગયા સિવાય સાચો પ્રેમ હોય નહીં. સાચો પ્રેમ એટલે વીતરાગતામાંથી ઉત્પન્ન થયેલી એ વસ્તુ છે. દ્વંદ્વાતીત થયા પછી વીતરાગ થાય. દ્વૈત ને અદ્વૈત તો દ્વંદ્વ છે. અદ્વૈતવાળાને દ્વૈતના વિકલ્પો આવ્યા કરે. ‘એ દ્વૈત, એ દ્વૈત, એ દ્વૈત !’ તે દ્વૈત વળગે ઊલટું. તે અદ્વૈતપદ સારું છે, પણ અદ્વૈતથી તો એક લાખ માઈલ જશે ત્યાર પછી વીતરાગતાનું પદ આવશે અને વીતરાગતાનું પદ આવ્યા પછી મહીં પ્રેમ ઉત્પન્ન થશે અને એ પ્રેમ ઉત્પન્ન થાય એ પરમાત્મ પ્રેમ છે.

સંપૂર્ણ વીતરાગતા એ જ પ્રેમ

પ્રશ્નકર્તા : દાદા, એક એવી રીતે વાત નીકળી’તી, કે વીતરાગોને દર્શન હોય, પ્રેમ ના હોય એટલે અમે ખટપટીયા વીતરાગ છીએ. એટલે અમે પ્રેમસ્વરૂપ થયા ત્યારે સંપૂર્ણ વીતરાગતા ના ઉત્પન્ન થઈ, એ જરા સમજવું હતું. એટલે પ્રેમસ્વરૂપ અને સંપૂર્ણ વીતરાગતા એ બે એક જ ?

દાદાશ્રી : સંપૂર્ણ વીતરાગતામાં પ્રેમ જ હોય છે. પ્રેમ એટલે શું ? કોઈના તરફ સહેજ પણ ભાવ બગડે નહીં એનું નામ પ્રેમ. સંપૂર્ણ વીતરાગતા એનું નામ જ પ્રેમ કહેવાય.

પ્રશ્નકર્તા : કોઈનાયે દોષ ના દેખાય ?

દાદાશ્રી : દોષની તો વાત જ ક્યાં ગઈ, એ તો જાણે કે ના જ દેખાય, પણ એ તો સામો અવળું કરે તોયે કિંચિત્માત્ર પ્રેમ ઘટે નહીં.

એ પ્રેમસ્વરૂપ એટલે વીતરાગતા હોય ત્યારે પ્રેમસ્વરૂપ. જેટલી વીતરાગતા એટલો પ્રેમસ્વરૂપ થયો.

પ્રશ્નકર્તા : ના, એટલે ત્યાં જ બે વાતો એવી રીતે હતી, જુદી હતી. એટલે વીતરાગોને દર્શન કહેવાય, જ્યારે અમારે પ્રેમ કહેવાય એમ. વીતરાગતા ના કહેવાય અમારે.

દાદાશ્રી : હા, વીતરાગતા એટલે આ અમારો પ્રેમ છે તે આમ દેખાતો હોય ને વીતરાગોનો પ્રેમ દેખાય નહીં. ખરો પ્રેમ તો એ જ કહેવાય અને આ અમારો પ્રેમ દેખાય, પણ તે ખરો પ્રેમ ના કહેવાય. એક્ઝેક્ટલી (સંપૂર્ણ) જેને કહેવામાં આવે છે ને, એ ના કહેવાય. એક્ઝેક્ટલી, સંપૂર્ણ વીતરાગતા (ત્યાં) થાય. આ તો ચૌદશ કહેવાય, હજુ પૂનમ નહોય.

પ્રશ્નકર્તા : એટલે પૂનમવાળાને આના કરતા પણ વધુ પ્રેમ ?

દાદાશ્રી : એ જ સાચો પ્રેમ. આ આમાં કચાશેય હોય કોઈ જગ્યાએ. એટલે પૂનમવાળાનો સાચો પ્રેમ હોય.

પ્રશ્નકર્તા : દાદા, સંપૂર્ણ વીતરાગ હોય ને પ્રેમ ન હોય એવું તો બની જ નહીં શકે ને ?

દાદાશ્રી : પ્રેમ વગર હોય જ નહીં ને !

દ્વેષ નિર્મૂળ થયે શુદ્ધ પ્રેમ અનુભવાય

પ્રશ્નકર્તા : એટલે પ્રેમને પેલી અપેક્ષાએ

(પા.૨૦)

કીધું હશે કે દ્વેષનો અભાવ થવો ?

દાદાશ્રી : દ્વેષનો અભાવ તો તમને હઉ થયેલો હોય. અમે જ્ઞાન આપીએ છીએ ને, ત્યારથી દ્વેષનો અભાવ થઈ જાય. તે વીતદ્વેષ થઈ ગયેલો હોય છે. પછી વીતરાગ થવાનો બાકી રહ્યો.

પ્રશ્નકર્તા : તો પ્રેમનું સ્થાન ક્યાં આવ્યું ? પ્રેમની સ્થિતિ કઈ જગ્યાએ તો પછી ?

દાદાશ્રી : એ જેટલો વીતરાગ થયો એટલો પ્રેમ ઉત્પન્ન થયો. સંપૂર્ણ વીતરાગને સંપૂર્ણ પ્રેમ!

પ્રશ્નકર્તા : સંપૂર્ણ વીતરાગ ત્યાં સંપૂર્ણ પ્રેમ?

દાદાશ્રી : એટલે વીતદ્વેષ તો તમે બધા થઈ ગયેલા જ છો. હવે વીતરાગ ધીમે ધીમે થતા જાવ, દરેક બાબતમાં. આમાં આ અનુભવ થઈ ગયો એ વીતરાગ. આનો અનુભવ વીતરાગ થતા થતા થતા થતા છે તે કોઈ કોઈ માણસની વૃત્તિઓ એવી હોય કે જે સંપૂર્ણ વીતરાગ ના પણ થયેલા હોય. મને જગત આખું નિર્દોષ દેખાય છે પણ તે શ્રદ્ધામાં. શ્રદ્ધામાં એટલે દર્શનમાં અને બીજું અનુભવમાં પણ આવ્યું છે કે નિર્દોષ છે જ. અનુભવમાં હંડ્રેડ પરસન્ટ આવી ગયું છે.

શુદ્ધ પ્રેમથી જ રોગ અને ઘા રૂઝાતા જાય. એ પ્રેમ તો ઊતરે જ નહીં. એ પ્રેમની હૂંફ તો બહુ જુદી જાતની જ હોય. અલૌકિક પ્રેમની હૂંફ તો બહુ જુદી જ, એ હૂંફ જ જુદી હોય. પ્રેમ તો બહુ મોટામાં મોટી વસ્તુ છે.

શુદ્ધ પ્રેમ ત્યાં પ્રગટે પરમાત્મપણું

‘શુદ્ધ પ્રેમ’ એવી વસ્તુ છે કે કોઈની જોડે કિંચિત્માત્ર ઈફેક્ટિવ (અસરવાળો) ના હોય. લાગણી જડ છે, તેથી ‘ઈફેક્ટિવ’ (અસરવાળી) થાય છે. ‘શુદ્ધ પ્રેમ’ ચેતન છે અને અનઈફેક્ટિવ (અસરમુક્ત) છે. કોનાથી અંજાઈ જાવ તમે?

પ્રશ્નકર્તા : કોઈ શુદ્ધ પ્રેમી હોય.

દાદાશ્રી : ના, પણ બીજે જગ્યાએ, આ ઘેરેય ગમે ત્યાં ગયા, ત્યાં ?

પ્રશ્નકર્તા : કોઈથી અંજાતા નથી, ખાલી આપના જેવાથી અંજાઈ જઈએ, દાદા.

દાદાશ્રી : અમારો શુદ્ધ પ્રેમ છે, માટે લોકોને અસર થાય, લોકોને ફાયદો થાય, નહીં તો ફાયદો જ ના થાય ને! એક ફેરો ‘જ્ઞાની પુરુષ’ કે ભગવાન હોય ત્યારે પ્રેમ દેખે. એ પ્રેમમાં ઘટવધ ના હોય, અનાસક્ત હોય. એ જ્ઞાનીઓનો પ્રેમ એ જ પરમાત્મા છે. સાચો પ્રેમ એ જ પરમાત્મા છે, બીજી કોઈ વસ્તુ પરમાત્મા છે નહીં. સાચો પ્રેમ, ત્યાં પરમાત્માપણું પ્રગટ થાય.

એટલે ‘જ્ઞાની’નો શુદ્ધ પ્રેમ જે દેખાય, આમ ઉઘાડો દેખાય, એ જ પરમાત્મા છે. પરમાત્મા એ બીજી કોઈ વસ્તુ જ નથી. શુદ્ધ પ્રેમ જે દેખાય છે, જે વધે નહીં, ઘટે નહીં, એકધારો જ રહ્યા કરે, એનું નામ પરમાત્મા, ઉઘાડા-ખુલ્લા પરમાત્મા ! અને જ્ઞાન એ સૂક્ષ્મ પરમાત્મા, એ સમજતા વાર લાગે. એટલે પરમાત્મા બહાર ખોળવા જવાના નથી.

પ્રેમ એ તો જ્ઞાની પુરુષથી તે ઠેઠ ભગવાન સુધી હોય. એ લોકોને પ્રેમનું લાઈસન્સ હોય. એ પ્રેમથી જ લોકોને સુખી કરી દે. એ પ્રેમથી જ બાંધે પાછા, છૂટાય નહીં. તે ઠેઠ ‘જ્ઞાની પુરુષ’ની પાસે, ઠેઠ તીર્થંકર સુધી બધા પ્રેમવાળા. અલૌકિક પ્રેમ, જેમાં લૌકિક નામ ના હોય !

અહંકાર ઓગળતા ઊભરાય શુદ્ધ પ્રેમ

(પા.૨૧)

પ્રશ્નકર્તા : અત્યારે દુનિયામાં બધા લોકો શુદ્ધ પ્રેમ માટે વલખા મારે છે.

દાદાશ્રી : શુદ્ધ પ્રેમનો જ આ રસ્તો છે. આપણું આ જે વિજ્ઞાન છે ને, કોઈ પણ જાતની, કોઈ પણ પ્રકારની ઈચ્છા વગરનું છે. એટલે શુદ્ધ પ્રેમનો આ રસ્તો જાગ્યો છે, નહીં તો હોય નહીં આ કાળમાં. પણ આ કાળમાં ઉત્પન્ન થયો એ અજાયબી થઈ છે !

અહંકાર છે ત્યાં સુધી શુદ્ધ પ્રેમ આવે જ નહીં ને! અહંકાર ને શુદ્ધ પ્રેમ બે સાથે રહી શકે નહીં. શુદ્ધ પ્રેમ ક્યારે આવે? અહંકાર ઓગળવા માંડે ત્યારથી શુદ્ધ પ્રેમ આવવા માંડે અને અહંકાર સંપૂર્ણ ઓગળી જાય એટલે શુદ્ધ પ્રેમની મૂર્તિ થઈ જાય. શુદ્ધ પ્રેમની મૂર્તિ એ જ પરમાત્મા છે. ત્યાં આગળ તમારું બધી જ જાતનું કલ્યાણ થઈ જાય. એ નિષ્પક્ષપાતી હોય, કોઈ પક્ષપાત ના હોય. શાસ્ત્રોથી પર હોય. ચાર વેદ ભણી રહે, ત્યારે વેદ ‘ઈટસેલ્ફ’ બોલે કે ‘ધીસ ઈઝ નોટ ધેટ, ધીસ ઈઝ નોટ ધેટ.’ તો ‘જ્ઞાની પુરુષ’ કહે છે, ‘ધીસ ઈઝ ધેટ, બસ !’ ‘જ્ઞાની પુરુષ’ તો શુદ્ધ પ્રેમવાળા એટલે તરત જ આત્મા આપી દે.

શુદ્ધ પ્રેમ અને શુદ્ધ ન્યાય એ બે ગુણ છે એમની પાસે. શુદ્ધ ન્યાય જ્યારે આ જગતમાં થાય ત્યારે જાણવું કે આ ભગવાનની કૃપા ઉતરી.

મારી પાસે એક પ્રેમનું જ હથિયાર

પ્રશ્નકર્તા : અમને આપને માટે જે ભાવ જાગતો હોય એ શું છે?

દાદાશ્રી : એ તો અમારો પ્રેમ તમને પકડે છે. સાચો પ્રેમ આખા જગતને પકડી શકે. પ્રેમ ક્યાં ક્યાં હોય ? પ્રેમ ત્યાં હોય કે જ્યાં અભેદતા હોય.

આસક્તિ ક્યારે કહેવાય છે કે જ્યારે કોઈ સંસારી ચીજ લેવી હોય ત્યારે. સંસારી ચીજનો હેતુ હોય ત્યારે. આ સાચા સુખને માટે તો ફાયદો થશે, એનો વાંધો નહીં. અમારી ઉપર જે પ્રેમ રહે છે તેનો વાંધો નહીં. એ તમને હેલ્પ કરશે. એનાથી બીજે આડી જગ્યાએ વપરાતો પ્રેમ ઉઠી જશે.

પ્રશ્નકર્તા : એટલે અમારામાં જાગતો ભાવ એ આપના હૃદયના પ્રેમનું જ પરિણામ છે એમ ?

દાદાશ્રી : હા, પ્રેમનું જ પરિણામ છે. એટલે પ્રેમના હથિયારથી જ ડાહ્યા થઈ જાય, મારે વઢવું ના પડે.

હું કોઈને લડવા માગતો નથી. મારી પાસે તો એક જ પ્રેમનું હથિયાર છે. હું પ્રેમથી જગતને જીતવા માગું છું. કારણ કે ક્રોધ-માન-માયા-લોભના એ હથિયાર મેં નીચે મૂકેલા છે, એટલે હું વાપરતો નથી. જગત એ હથિયાર લઈને સામું થાય છે.

જગત જે સમજે છે તે તો લૌકિક પ્રેમ છે. પ્રેમ તો તેનું નામ કે તમે મને ગાળો દો તો હું ડિપ્રેસ ન થઉં ને હાર ચડાવો તો એલીવેટ ન થઉં, એનું નામ પ્રેમ કહેવાય. સાચા પ્રેમમાં તો ફેર જ ના પડે. આ દેહના ભાવમાં ફેર પડે પણ શુદ્ધ પ્રેમમાં નહીં.

મનુષ્યો તો રૂપાળા હોય તોય અહંકારથી કદરૂપા દેખાય. રૂપાળા ક્યારે દેખાય ? ત્યારે કહે, પ્રેમાત્મા થાય ત્યારે. ત્યારે તો કદરૂપોય રૂપાળો દેખાય. શુદ્ધ પ્રેમ પ્રગટ થાય ત્યારે જ રૂપાળો દેખાવા લાગે. જગતના લોકોને શું જોઈએ છે ? મુક્ત પ્રેમ. જેમાં સ્વાર્થની ગંધ કે કોઈ પ્રકારનો ઘાટ ના હોય.

આ તો કુદરતનો ‘લૉ’ છે, નેચરલ લૉ ! કારણ કે પ્રેમ એ ખુદ પરમાત્મા છે.

(પા.૨૨)

રિયલ જોડે થાવ સિન્સિયર

પ્રશ્નકર્તા : આ વાત બરાબર સમજાઈ ગઈ કે જ્યાં સુધી પ્રગટ પુરુષના હૃદયમાંથી જે પ્રેમનો અનુભવ મળે એ જ પ્રેમ છે, એ સિવાય કશું પ્રેમ નથી.

દાદાશ્રી : આ તો ભ્રાંતિથી આસક્તિને પ્રેમ કહે છે લોકો. વધઘટ થાય એ આસક્તિ, એ એટેચમેન્ટ-ડિટેચમેન્ટ કહેવાય છે. વધઘટ ના થાય એ પ્રેમ અને એ જ પરમાત્મા પ્રેમ, એનું નામ શુદ્ધ પ્રેમ. શુદ્ધ પ્રેમ એ પરમાત્મા પ્રેમ ગણાય છે.

પ્રશ્નકર્તા : હવે અમારામાં એવો શુદ્ધ પ્રેમ ઉત્પન્ન કરવો છે.

દાદાશ્રી : જગત જ્યારે નિર્દોષ દેખાશે ત્યારે પ્રેમ ઉત્પન્ન થશે. આ મારા-તારા એ ક્યાં સુધી લાગે છે, કે જ્યાં સુધી બીજાને જુદા ગણીએ છીએ હજી. એની જોડે ભેદ છે ત્યાં સુધી આ મારા લાગે છે, તેથી આ એટેચમેન્ટવાળાને મારા ગણીએ છીએ ને ડિટેચમેન્ટવાળાને પારકા ગણીએ છીએ. એ કોઈ સાથે પ્રેમસ્વરૂપ રહે નહીં. એટલે પ્રેમસ્વરૂપ, આ પ્રેમ એ પરમાત્મા ગુણ છે. એટલે ત્યાં આગળ પોતાને બધું જ દુઃખ વિસારે પડી જાય એ પ્રેમથી. એટલે પ્રેમથી બંધાયું પછી કશું બીજું બંધાવાનું રહ્યું નહીં. જ્ઞાની પુરુષ જોડે, આત્મા જોડે, રિયલ જોડે હંમેશાં સિન્સિયરલી રહેવું જોઈએ અને દેહ જોડે, દેહાધ્યાસ જોડે, એ બધા જોડે ટ્રુલી રહેવું જોઈએ.

પ્રેમના પાઠ શીખવે દાદા

ધીમે ધીમે બધા જોડે શુદ્ધ પ્રેમ સ્વરૂપ થવાનું છે.

પ્રશ્નકર્તા : શુદ્ધ પ્રેમ સ્વરૂપ એટલે કેવી રીતે રહેવું ?

દાદાશ્રી : કોઈ માણસ હમણાં ગાળ ભાંડીને ગયો અને પછી તમારી પાસે આવ્યો તોય તમારો પ્રેમ ઘટી જાય નહીં, એનું નામ શુદ્ધ પ્રેમ. એવો પ્રેમનો પાઠ શીખવાનો છે, બસ. બીજું કશું શીખવાનું નથી. હું જે દેખાડું એ પ્રેમ હોવો જોઈએ.

પ્રશ્નકર્તા : હા, દાદા, એ પ્રેમનો પાઠ શીખવાનો છે.

દાદાશ્રી : બસ. પ્રેમ કોનું નામ કહેવાય ? તમને ફૂલાં ચડાવે તેની પર વધી ના જાય અને કો’ક ફેરો એવું બોલે કે ‘ચંદુભાઈ, તમે મારું બગાડ્યું’ તો ઘટી ના જાય. એવો પ્રેમનો પાઠ શીખો હવે, બસ બીજું કશું શીખવાનું નથી. જે પ્રેમ હું દેખાડું છું એ પ્રેમ હોવો જોઈએ અને એ પ્રેમ એ જ ઉઘાડા પરમાત્મા છે. કોઈ કહેશે, ‘પરમાત્મા દેખાય છે ?’ ત્યારે કહે, ‘જુઓ પ્રેમ. વધે નહીં, ઘટે નહીં એવો પ્રેમ એ પરમાત્મા. એ પ્રેમ જ પરમાત્મા છે. દેખાય કે ના દેખાય પરમાત્મા ? અરૂપી છે પણ દેખાય કે ના દેખાય ? નિરંજન છે પણ દેખાય કે ના દેખાય ?

પ્રશ્નકર્તા : દેખાય.

દાદાશ્રી : હા, એ પ્રેમ શીખો હવે. આ જિંદગી પૂરી થતા સુધીમાં આવી જશે ને બધું, કમ્પ્લીટ ?

પ્રશ્નકર્તા : હા, આવી ગયું.

દાદાશ્રી : હા, બધું આવી જશે. એક અવતાર જ ફક્ત બાકી રહેવો જોઈએ, તેય પુણ્ય ભોગવવામાં. અમારી આજ્ઞા પાળી ને, તેની પુણ્ય ભેગી થવાની જબરજસ્ત. આમ તો ખાતરી થઈ ગઈ ને ઘણા ખરા ને કે મોક્ષનો માર્ગ મળી ગયો એવું ? તમને ખાતરી થઈ કે મારી શરમે બોલે છે ?

(પા.૨૩)

પ્રશ્નકર્તા : હા, હા, ખાતરી થઈ ગઈ.

દાદાશ્રી : સાચું બોલે છે ? અનંત અવતારની ખોટો છે ને, તે એક અવતારમાં ખોટ વાળવાની હોય તો શું કરવું પડે ? પાછળ પડવું જોઈએ, દાદાના કહેલા શબ્દોની પાછળ, દાદાની પાછળ. દાદા ના હોય તો દાદાની કહેલી આજ્ઞાની પાછળ. એની પાછળ પડીને એક અવતારમાં ખોટ વાળી દેવાની, અનંત અવતારની ખોટ. કેટલા અવતારની ખોટ ? આપણે અત્યાર સુધી અનંત અવતાર લીધા ને, એ બધી ખોટો વળી. એ કાઢવાનું જરા જોઈશે ખરું કે ના કાઢવું જોઈએ ?

પ્રેમથી રહેજો... પ્રોમિસ ?

આ તો વાત જ જુદી છે ! આ ભાઈથી આજ્ઞા પળાય જાય છે અમારી. એની બેનથી બધી પળાતી નથી, અમુક બાકી રહે છે. ધીમે ધીમે પળાશે. એ લાવશે ખરી, ઠેકાણે લાવશે.

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : જગ્યાએ પહોંચશે ખરી, જો આ પ્રમાણે રહી તો... અને કોઈ દહાડો અવળું થયું તો પછી અવળુંય ફરી જશે. એના મધર એકલા કશું બોલે નહીં. કંઈ બોલતા નથી ને એની જોડે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : અને તું અને પપ્પા બેઉ જણ તમે આવું બોલો એટલે પછી એને શું થાય ? તને કેવું લાગે છે ?

પ્રશ્નકર્તા : બરોબર છે, દાદા.

દાદાશ્રી (બહેનને) : તું પ્રેમ રાખું તો સારું, મારી બહુ કૃપા ઊતરશે.

પ્રશ્નકર્તા : રાખીશ, દાદા.

દાદાશ્રી : નક્કી કર આજથી.

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી (ભાઈને) : [] તારે પ્રેમ રાખવો છે કે નહીં એની જોડે ? મોઢે બોલ ને !

પ્રશ્નકર્તા : હા, પ્રેમ રાખીશ, દાદા.

દાદાશ્રી : એ પ્રેમ રાખે કે ના રાખે, આપણે જોવાનું નહીં.

પ્રશ્નકર્તા : આપણે પ્રેમ રાખવાનો, બરાબર છે.

દાદાશ્રી : સમજાય છે ને તને ? પ્રેમ જીતવાનો આ જ રસ્તો.

પ્રશ્નકર્તા : દાદાજી, એની ઉપર પ્રેમ રાખવાનું આપે કહ્યુંને, એટલે એનામાં શુદ્ધાત્મા જોવાના, એના દોષ ના જોવા, એવું રાખવાનુંને ?

દાદાશ્રી : એમ નહીં, [] આ અત્યારે કો’ક એને વઢે તો તું સામો થઈ જાવ ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એ શું કહેવાય ? પ્રેમ કહેવાય. એના ઉપરનો તારો પ્રેમ.

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : બહુ પ્રેમ લાગે. [] તું એને પ્રેમ કરતો હોય તો એ તને કંઈક વાંકું કહે તો આપણે જાણીએ કે આ તો એનો સ્વભાવ (પ્રકૃતિનો ભરેલો માલ) જરા આવો છે. એટલે તારે તો એની ઉપર ફક્ત પ્રેમ જ રાખવાનો.

પ્રશ્નકર્તા : હા, હું સમજુ છું.

દાદાશ્રી : [] અત્યારે તમે બેઉ મતભેદ

(પા.૨૪)

કરીને નીકળ્યા હોય બહાર અને કો’ક આનું અવળું બોલવા માંડ્યા, તો ?

પ્રશ્નકર્તા : આના પક્ષમાં બોલું.

દાદાશ્રી : તોય આના પક્ષમાં રહે, એ પ્રેમ. બનશે અમારું કહેલું ?

પ્રશ્નકર્તા : બનશે જ, દાદા.

દાદાશ્રી : સો ટકા બનશે ?

પ્રશ્નકર્તા : હા, સો ટકા, દાદા.

હવે પ્રેમસ્વરૂપ થઈ જાવ

પ્રેમ ક્યારે ઉત્પન્ન થાય ? સામાની સાથે અત્યાર સુધી ભૂલો થઈ હોય તેની માફી માંગી લેવાની, ત્યારે પ્રેમ ઉત્પન્ન થાય.

નીરુબેન : દાદા, માફી માંગવાનું બહુ ઈઝી છે, સહેલું છે.

દાદાશ્રી : મારી વાત ગમશે ? સમજાઈ હોય તો ગમે.

નીરુબેન : દાદા, પોતાને છૂટવું છે, માટે ગમે છે.

દાદાશ્રી : છૂટવું છે કે દાદાની જોડે અભેદ થવું છે ?

નીરુબેન : એટલે દાદાથી નહીં, પોતાના દોષોથી છૂટવું છે, માટે ગમે છે, દાદા. દાદાની જોડે તો નિરંતર અભેદતા જ જોઈએ છે.

દાદાશ્રી : દાદાની જોડે અભેદતા એટલે છૂટવાનું જ હોય, છૂટી જવાય જ.

નીરુબેન : હા, એ તો દાદા જોડે.

દાદાશ્રી : પેલું તમે ગમે તેટલી માફી માંગો પગે પડીને તોય નકામી. દાદાની આજ્ઞા પ્રમાણે કરો તમે, કે ‘કોઈનો દોષ એકુંય નથી થયો પણ મને દેખાયું આ, માટે ત્યાં મારો દોષ હતો.’ બધાએ જેની જોડે પ્રેમ કરવો હોય એણે આ રીતે કરવું, તો મહીં પ્રેમ ઉત્પન્ન થશે. કરવો છે કે નહીં કરવો પ્રેમ ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : અમારી રીતે હોય. અમે જે રીતે તર્યા છીએ, એ રીતે તારીએ અમે. તમને સારું લાગ્યું?

નીરુબેન : હા, બહુ હલકું લાગ્યું, દાદા.

દાદાશ્રી : તમે પ્રેમ ઉત્પન્ન કરશો ને ? પ્રેમસ્વરૂપ થઈએ ત્યારે સામાના જોડે અભેદતા હોય. બધું ઝાઝું અમારી જોડે એવી રીતે થયેલું છે. આ રીત ખુલ્લી કરી નાખી અમે.

અભેદતા એ જ પ્રેમ

વિખૂટા નહીં પડવું, એનું નામ જ પ્રેમ. ભેદ નહીં પાડવો, એનું નામ પ્રેમ. અભેદતા થઈ એ જ પ્રેમ. એ પ્રેમ નોર્માલિટી કહેવાય છે. ભેદ હોય તો સારું કામ કરી આવે ને, તો ખુશ થઈ જાય અને પાછો થોડીવાર પછી નબળું કામ થયું, ચાના પ્યાલા પડી ગયા તો ચિડાઈ જાય. એટલે એબૉવ નોર્મલ, બિલો નોર્મલ થયા કરે. પેલું એ કામ જુએ નહીં, મૂળ સ્વભાવના દર્શન કરે.

પ્રેમ એટલે આ બધું જ ‘હું’ જ છું, ‘હું’ જ દેખાઉં છું. નહીં તો ‘તું’ કહેવું પડશે. ‘હું’ નહીં દેખાય તો ‘તું’ દેખાય. બેમાંથી એક તો દેખાય જ ને ? વ્યવહારમાં બોલવાનું આમ કે ‘હું, તું.’ પણ દેખાવું જોઈએ તો ‘હું’ જ ને !

તમને સમજાયો ‘પોઈન્ટ ઓફ વ્યૂ’ ? આ જુદી જાતનું છે, અને પ્રેમમૂર્તિ બની જવાનું. બધા એક જ લાગે, જુદાઈ લાગે જ નહીં. કહેશે, ‘આ અમારું ને આ તમારું.’ પણ અહીંથી જતી વખતે ‘અમારું-તમારું’ હોય છે ? એટલે આ રોગને લીધે જુદાઈ લાગે છે. એ રોગ નીકળી ગયો એટલે પ્રેમમૂર્તિ થઈ જાય.

જય સચ્ચિદાનંદ