અનંત અવતારની શોધ : વ્યવસ્થિત શક્તિ

સંપાદકીય

અમે ખુદ મોક્ષ રોક્યો તો, ‘વ્યવસ્થિત’ શોધને કાજે,

અબજ વર્ષો જે ગુપ્ત હતું, તે નીકળ્યું વિશ્વમાં આજે.

જગત સંચાલક ‘વ્યવસ્થિત શક્તિ’ આ વિષય અતિ ગહન છે અને ગુહ્ય છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, ‘અમને મોક્ષ મળતો હતો, પણ અમે અટકાવ્યો આ વ્યવસ્થિતની શોધ માટે !’ અનંત અવતારથી આ જ ખોળતો હતો કે આ જગત શા આધારે ચાલે છે ? તેથી આ અપૂર્વ અક્રમ જ્ઞાન પ્રાપ્ત થયું. જગતને સચોટ અને સરળ મોક્ષમાર્ગ પ્રદાન કર્યો અને મુમુક્ષુઓને એક કલાકના ભેદજ્ઞાન પ્રયોગથી આત્માની પ્રાપ્તિ કરાવી.

‘વ્યવસ્થિત’ની આજ્ઞા, કર્તાપદ કાઢે,

ન કર્મબંધ એક, ‘દાદા’ ગેરન્ટી આપે.

‘હું શુદ્ધાત્મા છું’ એ જ્ઞાન પ્રાપ્તિ પછી, એટલાથી પતે એવું નથી આ કાળમાં. સંસાર વ્યવહારમાં રહીને નોકરી-ધંધો કરતા આત્મામાં રહેવાનું છે. પાછું કર્તાપણું આવી જાય, ત્યાં આ વ્યવસ્થિતનું જ્ઞાન અકર્તાપદમાં રાખનારું છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ આપેલી પાંચ આજ્ઞા કર્મ બંધાયા સિવાય સંસાર પૂરો કરી એકાવતારી પદ પ્રાપ્ત કરી આપવાને સમર્થ છે.

આપ્તસૂત્રો ટચૂકડા પણ હોય સિદ્ધાંતમય,

કર્તા નથી કોઈ વિશ્વનો, તે જ્ઞાન પોતે મૂળ મુદ્દો.

વ્યવસ્થિતના આ ગુહ્ય વિજ્ઞાનને સમજવા માટે પરમ પૂજ્ય દાદાશ્રીએ આપ્તસૂત્રના માધ્યમ દ્વારા સિદ્ધાંતના અનેક મણકાઓ આપ્યા છે. એમાંથી આપણે આ અંકમાં વ્યવસ્થિત શક્તિના અમુક બેઝિક આપ્તસૂત્ર અભ્યાસમાં લઈશું. સૂત્ર રૂપે ગૂંથાયેલી વાણી દ્વવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવની સીમાથી પર છે. જ્ઞાનીના પ્રત્યેક શબ્દ, મુદ્દા, ચેષ્ટામાં અદ્ભુત રહસ્ય રહેલું છે, તેને વારંવાર અવગાહવા શ્રીમદ્ રાજચંદ્રે જણાવ્યું છે. જ્ઞાનીનું દરેક વાક્ય શાસ્ત્ર છે અને તે સૂત્ર એટલે ‘ટૂંકમાં ઘણું’ સીધું સોનું જ સમાયેલું હોય તેમ સમજવું.

અત્રે પ્રસ્તુત અંકમાં વ્યવસ્થિત શક્તિની શોધ કેવી રીતે થઈ, કોણે બનાવી, વ્યવસ્થિતનું દર્શન, બંધારણ, વ્યવસ્થિત શબ્દ કેવી રીતે સ્ફૂરેલો, વ્યવસ્થિત શક્તિ કમ્પ્યુટર જેવી, વ્યવસ્થિત અને ભાવની લિંક, વ્યવસ્થિતની કેવળજ્ઞાન સાથેની લિંક વગેરે સૂત્રો દાદાશ્રીની વાણી દ્વારા સંકલિત થયા છે. મહાત્માઓને આ ‘વ્યવસ્થિત શક્તિ’ના સૂત્રો હૃદયગત થાય, સાથે આ ‘વ્યવસ્થિત શક્તિ’ના વિજ્ઞાનને સમજીને ત્રીજી આજ્ઞા પાળવાનો પુરુષાર્થ મંડાય ને અનુભવની શ્રેણીઓ ચઢાય એ જ અભ્યર્થના.

~ જય સચ્ચિદાનંદ.

અનંત અવતારની શોધ : વ્યવસ્થિત શક્તિ

(પા.૪)

(આપ્તસૂત્ર - ૨૫૪૪)

‘વ્યવસ્થિત’નું જ્ઞાન ‘હું’ જન્મથી જ લઈ આવેલો ! અનંત અવતારની ‘મારી’ શોધખોળ છે !

પ્રશ્નકર્તા : દાદા, ક્યાંથી વ્યવસ્થિત શોધી લાવેલા ? આ વ્યવસ્થિત છે, એના શું કોઝ (કારણો) પડેલા ?

દાદાશ્રી : આ અવતારોથી એ જ શોધતો હતો કે આ શેના આધારે ચાલી રહ્યું છે. લોક કહે છે કે ‘મારા કર્મો ચલાવે છે’, તો મૂઆ, સૂર્ય-ચંદ્ર કોણે ગોઠવ્યા ? આ બધી મુશ્કેલી ઊભી થાય છે તો ખરેખર કોણ છે ? હુ ઈઝ ધ રિસ્પોન્સિબલ (કોણ જવાબદાર) ? તે આ વ્યવસ્થિત એટલે ઘણા અવતારની શોધખોળ છે.

પ્રશ્નકર્તા : જ્ઞાન થતાં પહેલાં એ દેખાતું’તું ?

દાદાશ્રી : પહેલેથી આ સત્ય જાણ્યા સિવાય મોક્ષે જવું નથી એવું નક્કી કરેલું, કે ‘આ જગત ચલાવનાર ખરેખર કોણ છે ?’ આપણા કર્મના ઉદય લોક કહે છે, તે કર્મોના ઉદય તો મને એકલાને લાગુ થાય. એમાં સૂર્ય-ચંદ્રને શું લેવાદેવા ? આ તારા, ચંદ્ર એવા ને એવા જ રહે છે. આ બધી આવડી મોટી દુનિયા શી રીતે ચાલે છે ? માટે ‘વ્યવસ્થિત’ નામની શક્તિ છે, જે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ (વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવા) છે અને તે અમે સમજ્યા પછી આપ્યું છે આ. અને તત્કાળ જ ફળદાયી છે. અવ્યવસ્થિત થતું જ નથી આ જગતમાં. પછી ભાંજગડ જ ક્યાં રહી ?

બહુ ઊંચી શોધખોળ આપી છે આ કાળમાં. તેથી અમે કહ્યું છે ને, ‘80 હજાર વર્ષ સુધી આનો પ્રભાવ રહેશે, જ્ઞાનનો.’ પછી તીર્થંકરો થશે એટલે આ પ્રભાવ ઊડી જશે. તીર્થંકર હોય તો બીજાની જરૂર નહીં. જ્યાં સુધી એવા પુરુષ ના હોય ત્યાં સુધી આ ગુંચવાડો શી રીતે કાઢે લોક ? દિવસ જ શી રીતે કાઢે ? મહીં વિચાર અવળો આવ્યો તે દહાડો શી રીતે કાઢવો ?

અમનેય ખબર ન્હોતી કે આવું કંઈ જ્ઞાન પ્રગટ થવાનું છે. પણ આ વ્યવસ્થિત અમારી ઘણા અવતારની શોધખોળ હતી. કેટલાય અવતાર તો અમે કોઈ પણ ક્રિયા વગર જ સંસારમાં રહ્યા છીએ. એને જોવા માટે, તપાસવા માટે કે ચાલે છે કે બંધ થઈ જશે.

પ્રશ્નકર્તા : કોઈ પણ ક્રિયા વગર ?

દાદાશ્રી : એટલે બધો હિસાબ કાઢીને પછી જડ્યું કે ધીસ ઈઝ ધ ફેક્ટ (આ સાચું છે). પછી એ ફેક્ટ આપ્યું છે તમને. એમ ને એમ તો આપીએ તો માર્યા જાય લોક. ઊંધે રસ્તે ચઢાવ્યા કહેવાય.

અનંત અવતારનું કરેલું, તેનું ફળ આવ્યું છે આ. વ્યવસ્થિતની મારી આ બહુ મોટામાં મોટી શોધખોળ છે. કો’ક વખત જવલ્લે જ થાય !

એવું છે ને, પાડોશમાં કોઈ ના હોય, એકલો હોય ને, તો એને સૂઝ પાડનાર મહીં છે. પણ બધા સાથે હોય તો કોણ સૂઝ પાડે ? એકલો હોય તો સૂઝ પડે. એટલે આ જગત એકલું હોતું નથી, તેની જ ભાંજગડ છે ને ! અને હું એકલો ફરેલો છું. કારણ કે મારો સ્વભાવ નાનપણથી એવો હતો કે એક રસ્તો, અહીંથી જે રસ્તો નીકળે તે આમ ફરીને આમ જતો હોય ને, તો મારી દ્રષ્ટિથી તરત સમજમાં આવી જાય, કે આ ખોટું છે, રસ્તો ઊંધો છે. નાનપણથી આ ટેવ, લોકોના રસ્તા ઉપર નહીં ચાલવું, પોતાના ધારેલ રસ્તે કરવું. તેનો મારેય પડેલો કેટલીય વખત, કાંટાય ખાધેલા. પણ છેવટે

(પા.૫)

તો આ રસ્તે જવું એ નક્કી. તે આમાં આ રસ્તે ફાવ્યું અમારે. ઘણા અવતાર માર પડ્યા હશે પણ છેવટે ખોળી કાઢ્યું, એ વાત નક્કી.

પ્રશ્નકર્તા : એટલે જિજ્ઞાસા તમારી પાસે પહેલેથી હતી ?

દાદાશ્રી : હા, પહેલેથી.

પ્રશ્નકર્તા : ગયા જન્મની ?

દાદાશ્રી : એ ઘણા અવતારોની, ગયા જન્મની નહીં. અને એટલે સુધી જિજ્ઞાસા કે ભવિષ્યની ચિંતા ન હોવી જોઈએ ! જો જન્મ્યો છે તો ભવિષ્યની ચિંતા કેમ હોવી જોઈએ ? એટલે આ વ્યવસ્થિતની શોધખોળ કરી લાવ્યો છું.

આ અમારું અનુભવ જ્ઞાન છે બધું. અમારા અનુભવની શ્રેણીમાં આવેલું જ્ઞાન છે. નહીં તો કોઈ કહી શકે નહીં ને, કે ભઈ, હવે તમારે વ્યવસ્થિત છે. ચિંતા કરવાની બંધ કરાવે નહીં ને ! કોઈએ કહેલું નહીં, વ્યવસ્થિત છે એવું.

(આપ્તસૂત્ર - ૩૭૨૦)

અમારું અનંત અવતારનું સરવૈયું ‘આ’ છે ! હું ‘જે’ લાવ્યો છું, તે અનંત અવતારથી સરવૈયું કરતો કરતો કરતો કરતો... લાવ્યો છું. એ સરવૈયું છે, ‘વ્યવસ્થિત’ ! ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ !’ જે જગતને ચલાવે છે !

આ જગત કેવી રીતે ચાલે છે ? કેટલાય અવતારની આ શોધખોળ લાવ્યો છું. નહીં તો લોક બુઝે નહીં ને ! કેમ કરીને બુઝે ? અને એક્ઝેક્ટ વ્યવસ્થિત જ છે ! જ્યાંથી તમે જુઓ ત્યાંથી. બધા તાળા મળી રહે અને ત્રણેવ કાળ અવિરોધાભાસ, કોઈ કાળમાં વિરોધ નહીં આવે. આ જ્ઞાન એ જ્ઞાન કહેવાય, વિરોધાભાસ હોય તો એ જ્ઞાન ના કહેવાય.

આ વ્યવસ્થિત એક બહુ સમજવા જેવું છે અને એક્ઝેક્ટ તેમ જ છે બધું ! થોડું ઘણું આઘુંપાછું હોય ને તો ગમે તે એક જણ બૂમ પાડતો આવે કે ‘વ્યવસ્થિતે’ મને અહીં આંતરો પાડ્યો !

આ તો કાયમની ચિંતા ના થાય, એવું જીવન કરી આપું છું. ‘એક ચિંતા થાય તો મારી ઉપર બે લાખનો દાવો માંડજો’ એવું હું કહું છું. શરત આમને હઉ કહેલી છે, આ બધાને કહેલી છે. તે એ વાત તો ઊંચી કહેવાય ને !

પ્રશ્નકર્તા : દાદા, ત્યારે એ બતાવો ને કે આ સમાધિ કેટલાક કાળથી છે, કેટલા ભવથી ચાલી આવે છે ?

દાદાશ્રી : ઘણા કાળની આ સમાધિ લઈને આવેલો છું, પણ હું ખોળતો’તો બીજું. આ જગતનો આધાર શો ? જ્ઞાન તો શુદ્ધાત્માનું થયું, પણ આ જો કદી વ્યવસ્થિત તમને ના આપ્યું હોત ને, તો તમે ફરી ગૂંચાઈ જાત. તમને લાગે છે એવું ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એટલે વ્યવસ્થિતને શોધવા માટે ઘણો કાળ ફર્યો છું હું. કારણ કે એ હોય તો એટલી નિરાંત થઈ જાય આપણને. અત્યારે અહીં બેઠાં છો ત્યાં સુધી મનમાં એમ લાગે ને, કંઈક વિચારો આવે છે. ત્યારે કહે, વ્યવસ્થિત છે. નિરાંત રહે કે ના રહે ? અને તેમ જ છે, એ શોધી કાઢ્યું મેં. શોધ એક્ઝેક્ટ લાવ્યો છું.

એક વાર તો આ પદ જ નથી હોતું, આ અક્રમ વિજ્ઞાનીનું પદ ! આ તો નિમિત્ત અમે બની ગયા. આ ભાગે જ ના આવે. આ તો અમને ભાગમાં આવ્યું તેય અજાયબી છે ! કારણ કે અમે હિસાબ ખોળી કાઢેલો ને, વ્યવસ્થિતની આવી શોધખોળ અમે લઈને આવેલા.

(પા.૬)

અમને પણ મોક્ષ મળતો હતો, પણ અમે ના કહ્યું. અમે અટકાવ્યો હતો, આ વ્યવસ્થિતની શોધ માટે, કે ભઈ, આવું ના હોવું જોઈએ. કંઈક આ બધા સાથે આમ મોક્ષ થાય. આ સંસારમાં બધું છોડી છોડીને એ શી રીતે ફાવે ? પણ આ પ્રમાણ થઈ ગયું. અપવાદ કહેવાય છે આ. અપવાદ, મૂળમાર્ગ ન્હોય આ. ધોરીમાર્ગ ન્હોય. ધોરીમાર્ગ પેલો (ક્રમિક માર્ગ). પણ અપવાદમાંય કામ થઈ જાય ને ! આપણે તો ઝંઝટ જ મટી ગઈ ને, છોડવાની ! નહીં તો ક્યારે છોડી દે ? આ તો ટેસ્ટથી ખાવ, હું એવું કહું. અને લોકો શું કહે, ‘આવું બોલો છો તો શી રીતે મોક્ષે જાય ?’ એને શું ખબર છે કે કોણ ખાય છે અને કોણ જુએ છે ? એને કંઈ ખબર નથી, એ જાણે કે પોતે જ ખાય છે આ !

પ્રશ્નકર્તા : ‘વ્યવસ્થિત’ શબ્દ આપને કઈ રીતે સ્ફૂરેલો ?

દાદાશ્રી : એ તો કેટલાય અવતારથી એવું ખોળતો હતો કે આ બાવા બનીને આપણે એકલાએ મોક્ષે જવું નથી. ઘરના માણસો બધાને રખડાવી મારીને આપણે મોક્ષે જવું નથી અને સંસાર શું નડે છે, પણ ? સંસારનો શું દોષ છે બિચારાનો ?

આ ભવમાં તો નડે છે કોણ ? કરે છે કોણ ? એ શોધમાં જ પડેલો કેટલાય અવતારથી. હું જે લાવ્યો છું ને, એ ઘણા બધા અવતારનું સરવૈયું લાવ્યો છું. સરવૈયું કરતો કરતો લાવ્યો છું. કર્તા કોણ ? આ ‘વ્યવસ્થિત કર્તા’ મેં આપ્યું. આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, એ મારું અનુભવપૂર્વક જોયેલું છે.

‘જ્ઞાન’ જો ‘જ્ઞાની’ એકલા પાસે રહે તો જ્ઞાન રસાતળ જાય. ‘જ્ઞાન’ તો પ્રગટ કરવું જ જોઈએ. અજવાળાનો દીવો કો’ક ફેરો ઉત્પન્ન થાય છે. ત્યાં સુધી ઘોર અંધારું રહે. આ તો સુરતના સ્ટેશને ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ના આધારે કુદરતી રીતે ઉત્પન્ન થયું છે ! ‘ધીસ ઈઝ બટ નેચરલ (આ કુદરતી છે) !’ તો પછી એમાંથી જેટલા દીવા કરવા હોય તેટલા થાય. બાકી દીવામાં ઘી તો બધાય લોકોએ પૂરી રાખ્યું છે !

વ્યવસ્થિત એ ગપ્પું નથી. ગપ્પું ચાલે નહીં, આજ્ઞા તરીકે ના અપાય. વ્યવહારિક શબ્દ આજ્ઞા તરીકે ના અપાય. આ નિશ્ચય-વ્યવહારનો શબ્દ છે.

પ્રશ્નકર્તા : તમે આ વ્યવસ્થિતનું આખું દર્શન જોયું હશે ને ?

દાદાશ્રી : હા. એ દર્શન જોયા પછીનું આપેલું છે. એ અમારી ફૂલ (પૂર્ણ) સમજમાં આવ્યા પછી અમે આપેલું છે.

હા, દર્શન ને પછી એના શબ્દોય મેં આપ્યા. પછી જણાવી શકાય એવું નથી એ દર્શન, એટલે પછી શબ્દરૂપે જેટલું જણાવી શકાય એટલું અમે જણાવ્યું. ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, એમાં તો બધું બહુ આવે છે એ વસ્તુ ! અને આ સિવાય બીજું કોઈ નિમિત્ત નથી, એવી એને અમે એક્ઝેક્ટનેસ આપીએ છીએ. વ્યવસ્થિત તમે બોલશો, એ વ્યવસ્થિતને જો યથાર્થ વાપરો તો તમને કોઈ જાતનું બોધરેશન (ઉચાટ) નહીં રહે. તમને મહીં નિરાકુળતા વર્તશે અને નિરંતર સમાધિ રાખે એવું છે.

પ્રશ્નકર્તા : સમાધિ આવી જાય એમાં શંકા નથી કોઈ !

દાદાશ્રી : એ વ્યવસ્થિતના જ્ઞાન વગર તો આ લોક મોક્ષમાર્ગ બહુ પામતા નથી, એનું કારણ જ એ છે. તે આ ઘણા કાળની અમારી શોધખોળ કે મને તો પહેલું આ જડે તો જ આગળ ચાલવું છે, નહીં તો ચાલવું નથી એ નક્કી કરેલું, મોક્ષે

(પા.૭)

જવું નથી ત્યાં સુધી. આ શેના આધારે ? કોણ ચલાવે છે આ ?

તે પછી કર્તા કોણ છે, કેવી રીતે ચાલે છે જગત, એનું આ સરવૈયું આવ્યું છે. આ કાળમાં ધન્ય ભાગ્ય છે કે આ સરવૈયું આવ્યું. જગત સમજે તો કામ કાઢી નાખશે એવું છે. હેય ! નિરાંતે સૂઈ ગયા, વ્યવસ્થિત કરીને. ના ગમતો માણસ આવ્યો, તો આપણું જ્ઞાન હાજર થાય, વ્યવસ્થિત હાજર થઈ જાય. એટલે પછી આપણને એના તરફ અણગમો રહે નહીં. કારણ કે આપણે જાણ્યું કોણે કર્યું આ ? એ એણે કર્યું ? ત્યારે કહે, ‘ના, એણે નથી કર્યું.’ એટલે એના ઉપર અણગમો થાય નહીં. આ વ્યવસ્થિતનું જ્ઞાન કોઈ જગ્યાએ રાગ-દ્વેષ નહીં કરવા દે. પ્રખર ના ગમતું આવે, તો તરત જ્ઞાન હાજર થઈ જ જાય કે ‘વ્યવસ્થિત’ છે.

(આપ્તસૂત્ર - ૩૯૦૧)

‘વ્યવસ્થિત’ એટલે શું ? ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે !

આ તો હું સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ કેવા ભેગા થાય છે, એ બધું જોઈને કહું છું.

આ તો મારે મોઢે જે અંગ્રેજીમાં શબ્દો નીકળી ગયા છે, એ તો કુદરતી નીકળ્યા છે. એ મારા ભણતરને લીધે નહીં. હું તો ભણતરમાં મેટ્રિક ફેઈલ છું, પણ આ ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ને ‘ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ’ (જગત પોતે કોયડો છે.) એવું બધું બોલું, તે એની મેળે કુદરતી નીકળી જાય.

મોટા મોટા ભણેલા માણસો મને પૂછે કે ‘‘દાદા, અમે આટલા મોટા ગ્રેજ્યુએટ થયા તો પણ હજુ ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ શબ્દ અમને બોલતા નથી આવડતા. તમે શી રીતે બોલો છો ? તમે ક્યાં સુધી ભણેલા ?’’ મેં કહ્યું, ‘મેટ્રિક ફેઈલ.’ ત્યારે કહે, ‘આ તો અમને આંગળા કરડવા જેવું લાગે છે.’ પણ આ તો એની મેળે કુદરતી નીકળી જાય શબ્દો.

પ્રશ્નકર્તા : પણ તમે જેટલું અંગ્રેજી બોલો છો, એટલું બહુ સચોટ છે.

દાદાશ્રી : હા, સચોટ પણ એ કુદરતી નીકળી જાય.

આ કુદરતી વિજ્ઞાન કેવું સુંદર છે ! કુદરતનું વિજ્ઞાન છે આ. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ એ જ્યારે આગળના લોકો પૃથક્કરણ કરશે ને, ત્યારે સમજાશે કે આના સિવાય તો કશી વસ્તુ, પાંદડુંય હલે એવું નથી. આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ જે બોલ્યા છીએ ને, એ બહુ મોટું વાક્ય બોલ્યા છીએ. જ્યારે એનો અર્થ સમજનારા નીકળશે, ત્યારે એ સમજાશે.

એ વ્યવસ્થિત કેવી રીતે છે, એવું અમે એકલાએ જ્ઞાનમાં જોયેલું છે. એને શબ્દથી વર્ણવા માટે અમારે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ કહેવું પડ્યું, કારણ કે ગુજરાતી શબ્દ જ નથી એને માટે.

પ્રશ્નકર્તા : બરોબર.

દાદાશ્રી : એટલે સાયન્સ માર્ગ છે. વૈજ્ઞાનિક કહું, તો વૈજ્ઞાનિક સમજાય નહીં. એ બે-ત્રણ વખત વાત કરું છું તો તરત સમજી જાય છે માણસ. કારણ કે નાના નાના દાખલા સાથે સમજણ પાડીએ ને અને અમારો હિસાબ જડી ગયો ને એટલે. કારણ કે જે હિસાબ ખોળતો હતો તે જડ્યો એટલે પછી તો લોકોને આપ્યો આ.

(આપ્તસૂત્ર - ૨૭૧૦)

‘વ્યવસ્થિત’ શક્તિ કોણે બનાવી ? કોઈએ બનાવી નથી. પરીક્ષાનું ‘રિઝલ્ટ’ (પરિણામ) કોણ આપે છે ? આપણું જ લખેલું, તેનું જ આ ‘રિઝલ્ટ’ આવે છે !

(પા.૮)

પ્રશ્નકર્તા : વ્યવસ્થિત શક્તિ કોણે બનાવી ?

દાદાશ્રી : કોઈએ બનાવી નથી. એવું છે ને, જેમ કોઈ માણસ પરીક્ષા આપે, તો પરીક્ષા આપ્યા પછી રિઝલ્ટ એની મેળે આવે કે કંઈ કરવું પડે ? તે આ રિઝલ્ટ છે. આ પરીક્ષાનું રિઝલ્ટ કોણ આપે છે ?

પ્રશ્નકર્તા : પ્રિન્સિપાલ (આચાર્ય) આપે છે.

દાદાશ્રી : પ્રિન્સિપાલ આપતા નથી. આપણે જે પરીક્ષામાં લખ્યું છે ને, તે જ આપણને રિઝલ્ટ આપે છે. પછી બીજી બધી વસ્તુ જુદી છે.

એવું આ આપણું જ અવસ્થિત છે ને, તે જ આ વ્યવસ્થિત છે. આપણું લખેલું તેનું જ આ રિઝલ્ટ છે. આમ દેખાવમાં એવું લાગે કે આ પ્રોફેસર આપણને રિઝલ્ટ આપે છે.

આપણે પરીક્ષા આપીને ઘેર આવીએ એટલે પછી એના પર વિચાર કર્યા કરતા હોય તો કોઈ શું કહે ? ‘બધું વ્યવસ્થિત છે. હવે એ વાત છોડીને બીજું કંઈ કર.’ વ્યવસ્થિત થાય કે ના થાય ? રિઝલ્ટ એ તો વ્યવસ્થિતમાં આવે કે ના આવે ? આ પરીક્ષા આપ્યા પછી જે બને એ વ્યવસ્થિત કે અવ્યવસ્થિત ?

પ્રશ્નકર્તા : વ્યવસ્થિત !

દાદાશ્રી : બસ, રિઝલ્ટ છે એ. આ જગત રિઝલ્ટ છે, માટે વ્યવસ્થિત છે.

પ્રશ્નકર્તા : એ ‘વ્યવસ્થિત’ જેને આપણે કહીએ અને ‘શુદ્ધાત્મા’ કહીએ એની જોડે કશું જ રિલેશન (સંબંધ) નથી એને ?

દાદાશ્રી : એ રિલેશન એટલું જ કે પરીક્ષાનું પરિણામ આવવાનું. અને પરિણામનો કોઈ કર્તા હોય નહિ. બસ આને માટેનું આ પરિણામ !

પ્રશ્નકર્તા : એટલે શુદ્ધ ચેતનમાં જ આ બધું અંદર જ છે ને, એમાંથી બધા એક્શન-રીએક્શન (ક્રિયા-પ્રતિક્રિયા) થયા કરે છે ?

દાદાશ્રી : આ અંદરેય નથી, જુદું જ છે.

(આપ્તસૂત્ર - ૩૭૧૭)

‘વ્યવસ્થિત’ ઉપર ‘વ્યવસ્થિત’નીય સત્તા નથી. ‘વ્યવસ્થિત’ તો ખાલી ‘રિઝલ્ટ’ આપે છે ! જો ‘વ્યવસ્થિત’ની સત્તા હોત તો તે કહેત કે ‘મારે લીધે જ બધું ચાલે છે !’ જો ભગવાનની સત્તા હોત તો તે ‘રોફ’માં આવી જાત ! કોઈથી બોલાય તેવું નથી. ખાલી નિમિત્તથી જ જગત ઊભું થયું છે !

પ્રશ્નકર્તા : આ દુનિયાનું બધું વ્યવસ્થિત શક્તિ જ ચલાવે છે ને ? આપનું એવું કહેવું છે ને ?

દાદાશ્રી : ના, ના. તો તો અહંકાર થઈ જાય ને ! તો તો પછી વ્યવસ્થિત શક્તિ કહે કે ‘મારે લીધે ચાલે છે.’ એટલે કોઈ એક કારણ ચલાવતું નથી. ભગવાનનેય ચલાવવાની છૂટ નહિ. કોઈનેય છૂટ નથી. બધા સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સીસ ભેગા થઈને કાર્ય થાય એટલે કોઈ એમ ના કહી શકે કે ‘મેં આ કર્યું.’

પ્રશ્નકર્તા : તો આ વાવાઝોડું, આંધી, વરસાદ એ પણ ‘વ્યવસ્થિત’ ?

દાદાશ્રી : હા, વ્યવસ્થિત છે. વ્યવસ્થિતનું બધું જ છે આ ! અને ‘વ્યવસ્થિતે’ય છે તે કંઈ આજની ક્રિયા નથી. એય ‘વ્યવસ્થિત’ના તાબામાં નથી. ‘વ્યવસ્થિત’ ‘વ્યવસ્થિત’નાય તાબામાં નથી, એ પણ પરિણામ છે. જેમ આ પરીક્ષાનું રિઝલ્ટ આપે તે પ્રોફેસરના તાબામાં ખરું ?

પ્રશ્નકર્તા : માર્ક આપે ત્યાં સુધી એમના હાથમાં ખરું !

(પા.૯)

દાદાશ્રી : ના. રિઝલ્ટ જ આપવાનું હોય તે દહાડે તાબામાં ખરું ? રિઝલ્ટ જાહેર કરતી વખતે કંઈ અધિકાર ખરો કોઈ જાતનો ? તે આ ‘વ્યવસ્થિત’ રિઝલ્ટ જાહેર કરે છે અને ‘વ્યવસ્થિત’નીય સત્તા નથી એને તો ! જો ‘વ્યવસ્થિત’ની સત્તા હોત ને તો એ કહેત કે ‘મારે લીધે આ બધું ચાલે છે.’ જો ભગવાનનું કંઈક એમાં હોત તો ભગવાનેય રોફમાં આવી જાત કે આ હું છું તો આ બધું ચાલે છે. એટલે કોઈથી બોલાય નહીં, બધાની ચડીચૂપ ! એવું આ જગત છે ! ખાલી નિમિત્તથી જ, આના નિમિત્તથી આમ ને આના નિમિત્તથી આમ. એટલે કોઈથી બોલાય એવું નથી કે મેં જગત ઊભું કર્યું છે ને મારા લીધે જ ચાલે છે. નહીં તો એ ચઢી બેસત, ક્યારનો ચઢી બેસત, માલિક થવા જાત ! એટલે બહુ ઊંડી વસ્તુ છે આ વાત. એ તો જ્ઞાનીઓએ દીઠેલી હોય. તમને બુદ્ધિમાં સમજાય. તમને બુદ્ધિમાં અમુક ઉતરે.

પ્રશ્નકર્તા : પોતાના કર્મને આધારે આ વ્યવસ્થિત શક્તિ ચલાવે ને, એવું કહેવાય ખરું ?

દાદાશ્રી : વ્યવસ્થિત શક્તિને કોઈ આધાર છે જ નહીં. કોઈના આધારે વ્યવસ્થિત શક્તિ નથી. વ્યવસ્થિત શક્તિ એટલે એ પોતે જ પરિણામ છે. ‘પાસ થવું, નાપાસ થવું’ એ કોઈની શક્તિ નથી. પરીક્ષા આપનારાએ પરીક્ષા આપી, તેનું આ પરિણામ છે. પરીક્ષા આપવી એ કોઈની શક્તિ છે અને પરિણામ આપવું એ કોઈની શક્તિ નથી. એવું છે ને, આ સૂર્યના તાપમાં આપણે ફરીએ તો ગરમી કોણ આપે છે ?

પ્રશ્નકર્તા : સ્વભાવ છે.

દાદાશ્રી : કોઈની જરૂર છે નહીં. તમને ગરમીની જરૂર ન હોય તો તમે છત્રી લઈને ફરો. ઠંડક કોણ આપે છે ? છત્રી આપે છે. એમાં તમારે કોઈ આપનારની જરૂર નથી, એનું રિઝલ્ટ છે. રિઝલ્ટમાં કોઈ આપનાર હોય નહીં. પરીક્ષા આપીએ, પછી એનું રિઝલ્ટ આપવામાં કંઈ ભગવાનની જરૂર ખરી ? એમાં એણે જેવું લખ્યું એવું આવશે. એ ઈફેક્ટ છે.

પ્રશ્નકર્તા : સમજાયું. પહેલાં એવો ખ્યાલ હતો કે આ વ્યવસ્થિત શક્તિ જ આખું વિશ્વ ચલાવે છે.

દાદાશ્રી : ના, ના. જગત તો એક કોઝિઝને લઈને ચાલતું નથી, બધા કોઝિઝ ભેગા થઈને ચાલે છે. લોક તો સત્તા પોતાની ખોળે છે, પણ આ તો પરિણામ સત્તા છે. અને આપણામાં સત્તા હોય પણ નહીં. આ તો પરિણામ છે. સારું પેપર લખ્યું હોય તે અત્યારે પરિણામમાં ખુશ થઈને ફર્યા કરે. પેલું મોઢું બગડેલું લઈને ફર્યા કરે.

પ્રશ્નકર્તા : આ પરિણામ સત્તા છે, તે આપણે જ સમજવાનું છે ને ! જેણે ‘જ્ઞાન’ લીધેલું હોય તેને જ. બહારના લોકોને તો ખ્યાલ ના આવે ને !

દાદાશ્રી : એમને પરિણામ સત્તા જ છે, પણ એમને ખબર જ નથી ને ! એ તો એમ જ જાણે કે આપણે જ કરીએ છીએ આ. પરિણામના કર્તા કોઈ હોઈ શકે ખરા ? ‘જન્મ્યા ત્યારથી મરણ સુધી શું શું થશે’ એ બધું ફરજિયાત છે અને તે પરિણામ સ્વરૂપ છે. એના આપણે કર્તા માનીએ છીએ, તેથી આવતા ભવનું બીજ પડે છે.

(આપ્તસૂત્ર - ૩૯૦૨)

અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચનાર નથી અને તે ‘વ્યવસ્થિત’ છે. ‘વ્યવસ્થિત’ છે તે સ્વાભાવિક છે અને અનંત કાળ સુધીનું છે. કોઈને બનાવવું પડે તેવું આ છે નહીં.

આખા જગતના મનુષ્યમાત્ર મન-વચન-કાયાની અવસ્થાને પોતાની ક્રિયા માને છે. રિયલી

(પા.૧૦)

સ્પીકિંગ (ખરેખર કહીએ તો) કિંચિત્માત્ર કર્તા સ્વરૂપ પોતે છે નહીં. બધા અજ્ઞાન દશાના સ્પંદન છે અને તે કુદરતી રચનાથી ઉત્પન્ન થયેલા છે. તેનો કોઈ બાપોય રચનાર નથી. આ દાદાએ જાતે જોઈને કહેલું છે.

‘મન-વચન-કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચનાર નથી અને તે વ્યવસ્થિત છે.’ હા, એટલું જ જો આવડે ને, તો અડતાળીસ આગમ પૂરા થઈ ગયા એને ! એ વાક્યમાં આટલો બધો શું સાર હશે ?

પ્રશ્નકર્તા : બધી અવસ્થાઓ વ્યવસ્થિતને આધીન હશે માટે.

દાદાશ્રી : એટલે અવસ્થા માત્ર કુદરતી રચના છે.

પ્રશ્નકર્તા : પણ એ સંજોગોના આધારે જ ને ?

દાદાશ્રી : હા, સંજોગોના આધારે જ ને ! એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ. એટલું જ જો આવડ્યું ને, તો અડતાળીસ આગમ આવડી ગયા. અમને આ જગતમાં કોઈની ભૂલ દેખાતી નથી, એનું કારણ શું ? અમને બધું જ્ઞાન હાજર હોય. તમને આટલું એક વાક્ય હાજર રહે ને, તો કોઈની ભૂલ જડશે નહીં.

‘અવસ્થા માત્ર કુદરતી રચના છે’ એવું જ્યારે ફીટ થશે ત્યારે આત્મજ્ઞાન ઉત્પન્ન થશે.

તમે વાક્ય બોલોને ફરીથી.

પ્રશ્નકર્તા : મન-વચન-કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે.

દાદાશ્રી : તેનો કોઈ બાપોય રચનાર નથી. ‘બાપોય’ કહ્યું એટલે લોકોને બહુ મઝા આવે છે. કારણ કે પછી ભડક નીકળી જાય છે. કોઈ બાપોય નથી, શું કરવા અમથા ભડકો છો વગર કામના ! આણે કર્યું ને ફલાણાએ કર્યું, નહીં તો ગ્રહોએ કર્યું, કહેશે ! અલ્યા, ગ્રહો પોતાને ઘેરે બેસી રહે કે અહીં આવે ? ગ્રહો શું કરવા કરે બિચારા ? સહુ સહુને ઘેર હોય છે. સૂર્યનારાયણ એમને ઘેર હોય છે. જો સહુ સહુનો એનો પોતાનો સ્વભાવ બતાવે છે. એમનો પ્રકાશ છે તે તો બહાર પડ્યા વગર રહે જ નહીં ને !

વ્યવસ્થિત એટલે ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ.’ એને આપણા લોક ‘નેચર’-કુદરત કહે છે. જે જે સંયોગ ભેગા થાય, તે સૌ સૌના સ્વાભાવિક ભાવ બતાવી, ભેગા થઈને પાછા નવી જાતના ભાવ બતાવે છે. 2H અને O ભેગા થાય ને પાણી થાય ! એવું આ ભેળું થાય છે, વિખરાય છે. ખાવાનું-પીવાનું, પાછું સંડાસ જવાનું, આ બધું ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ છે !

(આપ્તસૂત્ર - ૯૭)

કુદરત એ કોઈ વસ્તુ નથી. કુદરત એટલે સંજોગોનું ભેગું થવું તે. સંજોગોનો ભેગા થવાનો પ્રયત્ન થવા માંડ્યો, એનું નામ કુદરત અને એ સંજોગો ભેગા થઈ રહ્યા, એનું નામ ‘વ્યવસ્થિત.’

પ્રશ્નકર્તા : ‘કુદરતી શક્તિ અને વ્યવસ્થિત શક્તિ’ એ બે એક જ કે જુદું જુદું છે ?

દાદાશ્રી : કુદરતી શક્તિ એ તો તમે તમારી ભાષામાં સમજો ને ? કુદરતી શક્તિને હું શું કહું છું ? સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. એ તમને ગુજરાતીમાં નહીં સમજાય, એટલા માટે મેં તમને ‘વ્યવસ્થિત’ શક્તિ આપી છે. બહુ ઝીણી વાત છે.

પ્રશ્નકર્તા : વ્યવસ્થિત અને કુદરત એમાં કંઈ તફાવત ખરો ?

દાદાશ્રી : કુદરતને જો એમ કુદરત કહું ને,

(પા.૧૧)

તો સમજણ નહીં પડે લોકોને, અને કુદરત છે શું ખરેખર ? સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. એ કુદરતનું ઇંગ્લિશ કરવા જઈએ તો આપણા લોક નેચર કરે. ખરેખર નેચર નથી, એ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. જેમ વરસાદ થયો તે 2H ને O ભેગા થાય ને વરસાદ વરસી જાય અને લોક કહે કે કુદરત વરસાવે છે. પણ કુદરત કહે તો લોકો દુરુપયોગ કરશે અને નેચર થઈ જશે. લોકો સમજતા નથી. એટલા માટે મેં જુદું કરેલું.

આ બધા સંયોગોથી બધું ફેરફાર થાય છે. આ સાયન્ટિફિક સંયોગોથી આ બધા ફેરફાર થયા કરે છે. આ ફેરફાર થાય છે તે વખતે કુદરતી શક્તિ કહેવાય છે. આ સૂર્યનારાયણની હાજરી, ઉનાળાનો તાપ અને નીચે દરિયો, તે વરાળ ઉપર જયા જ કરે.

પ્રશ્નકર્તા : એ બધું કુદરત છે ?

દાદાશ્રી : કુદરતી. આ સંયોગો બધા ઊભા થાય. કશું કોઈ કરતું નથી. ઉનાળાની તાપની હાજરી જ, એનાથી વરાળ ઊભી થાય અને એ ઊભી થઈને પાછા ઉપર વાદળા બંધાય, પાછા સંયોગોથી બંધાય અને સંયોગોથી ટાઈમ થાય ત્યારે અહીંયા આવે. તે પાછો વાયુ ખેંચી લાવે. એટલે પંદરમી જૂન આવવાની થાય ને, ત્યારે વાયુ પશ્ચિમ તરફનો વહેતો હોય. તે જબરદસ્ત વાદળોને ખેંચ-ખેંચ કર્યા કરતો હોય. ખેંચીને લાવીને ઊભા રાખે અહીં વાદળાં. ત્યારે આમના જેવાએ આ જમીન રાખી હોય બસો-ત્રણસો વીઘા. તે કહેશે, હવે આવશે વરસાદ. તે કાળું વાદળ થયું હોય તોય કલાકમાં ક્યાંય વેરવિખેર થઈ જાય ! બીજે દહાડે વાદળ જેવી વસ્તુ જ ના દેખાય, ત્યારે આમના જેવા શું કહે ? આજે હવે તો વરસાદ આવે જ નહીં, જાવ બેટ (શરત) મારું. બેટ મારવા તૈયાર થઈ જાય. આ તો કલાકમાં ક્યાંથી આવીને પડે હડહડાટ. આ બધું કુદરત છે.

(આપ્તસૂત્ર - ૨૬૯૬, ૯૮)

‘વ્યવસ્થિત’નું બંધારણ ક્યારે થાય ? તમને કોઈએ સળી કરી ને તેમાં તમે તન્મયાકાર થાવ, તે અવસ્થિત થયા તે જ ‘વ્યવસ્થિત’નું બંધારણ છે ! ‘અવસ્થિત’ એટલે ‘બેટરી’ ‘ચાર્જ’ કરેલું. ‘વ્યવસ્થિત’ એટલે ‘ડિસ્ચાર્જ’ થાય તે.

આ વ્યવસ્થિતનો તમને સહેજ અણસાર આપીએ કે વ્યવસ્થિત શું છે ?

હવે એ વ્યવસ્થિત, આજે એનું મૂળ ખોળવું હોય તો શી રીતે જડે ? ત્યારે કહે છે કે અત્યારે કોઈ પણ માણસ ‘જ્ઞાન’ ના લીધેલું હોય અને એ આવે તો બીજા કોઈ માણસે જરા એની જોડે ઊંધું કર્યું, તે વખતે દ્રવ્યથી ક્રિયા તો ચાલવાની જ, ઊંધી થવાની જ. પણ પોતે છે તે એમાં ભળી જાય છે. કારણ કે દ્રવ્ય ક્રિયા મનમાં છે, ચિત્તમાં છે, બુદ્ધિમાં છે, અહંકારમાં છે, પણ પોતે ભળે છે એમાં.

મન વિચારતું હોય તેની મહીં પોતે ભળે, એટલે મનમાં તન્મયાકાર થઈ જાય. મન વિચારે છે, એ આપણી લોકભાષા એવી છે. ખરેખર મન વિચારતું નથી, મનમાં નિરંતર સ્પંદન થયા કરે. એ જેમ જેમ ફૂટતું જાય તેમ સ્પંદન થાય. જેમ આ કોઠી ફૂટતી હોય ને, એમ બધું મહીંથી નીકળ્યા કરે. તેને બુદ્ધિ વાંચી શકે, કે આવો ભાવાર્થ કહેવાય. એટલે પછી મહીં સારું લાગે, ત્યાં પછી એમાં અહંકાર તન્મયાકાર થઈને વિચરે અને વિચરે તો વિચાર કહેવાય, નહીં તો વિચાર ના થાય. હવે જે અહંકાર મહીં વિચર્યો અને તન્મયાકાર થયો. એ મનની અવસ્થામાં પોતે તન્મયાકાર થયો એટલે અવસ્થિત કહેવાય.

એટલે માણસને કોઈ વિચારદશાની અગર વાણીદશાની એ અવસ્થા ઉત્પન્ન થાય છે, એ અવસ્થા બદલાયા કરે છે. એ અવસ્થામાં તન્મયાકાર

(પા.૧૨)

થવું, અજ્ઞાનદશામાં પોતે તન્મયાકાર જ થાય. ‘હું જ છું’ એવું માને એટલે તન્મયાકાર જ રહે. એટલે અવસ્થામાં તન્મયાકાર થયો, તે વખતે ચાર્જ થાય. ચાર્જ થાય ત્યારે ગુજરાતીમાં એને ‘અવસ્થિત’ કહેવાય. અવસ્થામાં એકાકાર થયો, એ અવસ્થિત થયો, તે કોમ્પ્યુટરમાં જઈ અને ‘વ્યવસ્થિત’ થઈને બહાર પડે છે. જે અવસ્થિત છે ને, તે જ વ્યવસ્થિત થઈને બહાર પડે છે. પણ એ વ્યવસ્થિત ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ ભેગા કરી આપે બધા. પેલું અવસ્થિત એવિડન્સ ભેગું ના કરી આપે. એ તો ચાર્જ થઈને એવું નક્કી થઈ ગયું કે આ પ્રમાણે આટલા એવિડન્સ (સંજોગો) જોઈશે. આ વ્યવસ્થિત એ એવિડન્સ ભેગા કરી આપે. એ અવસ્થિતનું વ્યવસ્થિત થયેલું છે. એટલે આમાં પ્રારબ્ધ કે પુરુષાર્થ કે આ એવી તેવી ગપ્પું વસ્તુ નથી. એક્ઝેક્ટ, પોઈન્ટ ટુ પોઈન્ટ છે આ વસ્તુ. પણ બધાને સમજાય નહીં ને ! એટલે ‘વ્યવસ્થિત’ કહીને અત્યારે આપી દીધું બધાને. ‘વ્યવસ્થિત જ આનું કર્તા છે’ એમ કહ્યું. ખરેખર કર્તા જ વ્યવસ્થિત છે અને એનું સ્વરૂપ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. પણ આ અણસાર આપ્યો કે કેવી રીતે વ્યવસ્થિત હોવું ઘટે.

(આપ્તસૂત્ર - ૨૬૯૮)

‘વ્યવસ્થિત’ કેવું છે ? એ સમષ્ટિ શક્તિ છે અને ‘આ’(જીવો) વ્યષ્ટિ સ્વરૂપ છે. વ્યષ્ટિના બધા ભ્રાંતિના ભાવ સમષ્ટિમાં પડે છે અને ‘કોમ્પ્યુટર’ દ્વારા સમષ્ટિનું ફળ મળે છે.

વ્યવસ્થિત એટલે જેના જેવા ભાવ, તે બધા કોમ્પ્યુટરના ફીડમાં જાય અને ફીડમાંથી વ્યવસ્થિત થઈને આવે એટલે રૂપક થઈને આવે બધું.

પ્રશ્નકર્તા : એ કંઈ બરાબર સમજમાં ઊતરતું નથી. આ જરા વિગતવાર સમજાવો.

દાદાશ્રી : હવે એ શેના જેવું છે ? આ વ્યવસ્થિત શક્તિ એ કોમ્પ્યુટર જેવી છે, પણ કોમ્પ્યુટર નથી. આ તો બહુ મોટું છે. પણ જેમ કોમ્પ્યુટર ફળ આપે છે ને, એવું આ ફળ આપે છે. અને બધું કામ કરાવી લેશે, બધું જ એડજસ્ટમેન્ટ કરાવી લેશે.

કોમ્પ્યુટર હોય ને, એમાં પેલી બાજુ ફીડ નાખે, એટલે આ બાજુ એનું રિઝલ્ટ આવે. તે આ જગત રિઝલ્ટ સ્વરૂપે છે. ફીડ છે તે પહેલાનાં કોઝિઝ છે. તે કોઝિઝ ફીડ રૂપે હોય છે અને આ રિઝલ્ટ ઈફેક્ટ રૂપે હોય છે. તે આ રિઝલ્ટ છે, એમાં કોઈ ફેરફાર ન કરી શકે. કોઝિઝમાં ફેરફાર કરી શકે. એટલે વ્યવસ્થિત શાથી કહ્યું કે ફેરફાર કોઈથી થઈ શકે નહીં. માટે ચોક્કસ હિસાબ જ છે, વ્યવસ્થિત જ છે, એ ચેન્જ (ફેરફાર) નહીં થાય. વ્યવસ્થિત થતા પહેલા આપણે નક્કી કરવું જોઈએ.

એટલે ચેતન છે તે આ જગતને ચલાવતું નથી અને આપણેય ચલાવતા નથી. આપણું આ કોમ્પ્યુટર છે તે આ વ્યષ્ટિ કોમ્પ્યુટર છે, બીજું સમષ્ટિ કોમ્પ્યુટર છે. એ કોમ્પ્યુટરની માફક આ બધું ચાલે છે. પણ એને કોમ્પ્યુટર કહીએ તો પેલા આ બધા છે ને કોમ્પ્યુટર બનાવનારા મનમાં એમ ફૂલાય કે ઓહોહો ! અમારા જેવું... આ એના જેવું રૂપક છે આ. એના ઉપરથી તમે લીધું છે એ, તમારા ઉપરથી એણે નહીં લીધું. એના ઉપરથી આ લોકોએ નકલ કરી, પણ એની આ નકલ ઉપરથી એ લોકોએ અસલ નથી કર્યું. એ તો અજાયબી છે એ મેં જોયેલું છે ! એ અવસ્થિત કોમ્પ્યુટરમાં નાખવાનું એ પછી વ્યવસ્થિત થઈને કોમ્પ્યુટરમાંથી નીકળે બહાર અને એ વ્યવસ્થિત એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. બધા સંજોગો ભેગા થઈને તમારું કામ થઈ જાય.

(આપ્તસૂત્ર - ૩૯૨૪)

એટલું બધું ગૂઢ ‘સાયન્સ’ છે કે તમે એક ખરાબ વિચાર કરો કે તરત જ આ બહારના પરમાણુ મહીં ખેંચાય છે અને તેનો જેવો હિસાબ બેસે, તેવા જ ફળ આપીને જાય. બહારથી કોઈને ફળ આપવા આવવું પડતું નથી. બહાર ફળ આપનારો કોઈ ઈશ્વર છે જ નહીં !

(પા.૧૩)

એટલું બધું ગૂઢ સાયન્સ છે કે તમે એક ખરાબ વિચાર કરો કે તરત જ આ બહારના જે પરમાણુ છે ને, તે પછી જોઈન્ટ (ભેગા) થઈને અંદર દાખલ થઈ જાય અને તે હિસાબ બેસે ને તેવાં જ ફળ આપીને પછી જાય. એમ ને એમ ના જાય. એટલે કોઈને ફળ આપવું-કરવું નથી પડતું. આ તો બહાર ફળ આપનારો કોઈ છે નહીં. એવો કોઈ ઈશ્વર છે નહીં કે જે તમને ફળ આપવા માટે આવે !

આપણે જે દ્વેષથી ખેંચીએ છીએ ને આમ, જે ખરાબ બોલીએ કે ખરાબ ભાવ કર્યો કે પરમાણુ એવા ખરાબ આવે કે જે કડવાં ફળ આપે, ના ગમતા. સારો ભાવ કર્યો કે સારાં ફળ આપે, મીઠાં ફળ આપે અને ભાવાભાવ ના કર્યો, ‘હું શુદ્ધાત્મા છું’, કર્તાભાવ બંધ થઈ ગયો તો જૂનાં ફળ આપીને ચાલ્યા જાય, બીજા નવાં ના આવે. એવી રીતે આ સાયન્સ છે, આખી પદ્ધતિ છે. આ કંઈ ધર્મ જેવી વસ્તુ નથી. ધર્મ તો જ્યાં સુધી સાયન્સમાં ના આવે ત્યાં સુધી યોગ્યતા લાવવા માટે છે. એને કંઈ યોગ્યતા આવે, અધિકારી થાય એટલા માટે ધર્મ છે. બાકી, સાયન્સ તો સાયન્સ જ છે બધું.

પરમાણુ જ બધું કરી રહ્યા છે. જેમ એક માણસ આટલું અફીણ કે એવું તેવું ઘોળીને પી જાય પછી ભગવાનને મારવા આવવું પડે ? કોણ મારે ? એવી રીતે આ બધું અફીણના જેવું છે. પરમાણુ જ મહીં જુદી જાતના થાય છે. અમૃત જેવા, અફીણ જેવા, જાત જાતના પરમાણુ, જેવા ભાવ થાય ને તેવાં પરમાણુ થઈ જાય. એ આત્માની એટલી બધી અલૌકિક શક્તિ છે ! જડની પણ એટલી બધી અલૌકિક શક્તિ છે કે એટલું ધારણ કરી શકે છે. જડની શક્તિ મેં જોયેલી છે, એટલે હું કહી દઉં છું કે બહુ મોટું સાયન્સ છે આ. આત્માની તો શક્તિ છે જ, એ તો આખું જગતેય એક્સેપ્ટ (સ્વીકાર) કરે છે પણ જડની શક્તિ ભયંકર શક્તિ છે. આત્મા કરતાં વધી જાય એવી શક્તિ છે. એટલે જ આ બધું (જગત) ફસાયું છે ને, નહીં તો આત્મા મહીં ફસાયા પછી ધારે ત્યારે કેમ ના છૂટી જાય? ત્યારે કહે, ના, જ્યાં સુધી આ વિજ્ઞાન નહીં જાણે ત્યાં સુધી છૂટે નહીં. પોતે અસલ વિજ્ઞાનમાં નહીં આવે ત્યાં સુધી છૂટે નહીં.

આમ ભાવ કરતાંની સાથે આખા પરમાણુ ચેન્જ (બદલાઈ) થઈ જાય છે. એટલે આ બધું સાયન્સ છે. ધર્મ તો અમુક હદ સુધી છે. યોગ્યતા લાવે માણસમાં, એક જાતના ફોર્મેશન (બંધારણ)માં આવે છે. ફોર્મેશનમાં આવ્યા પછી આ એને પ્રાપ્તિ થઈ જાય. અમુક નોર્માલિટી આવી ગયા પછી આ એને સાયન્સ મળે તો જ કામ થાય, નહીં તો ન થાય.

(આપ્તસૂત્ર - ૨૪૪૯)

જે સ્થૂળ છે તે ‘વ્યવસ્થિત’ને તાબે છે ને ‘એક્ઝેક્ટ’ છે, ને સૂક્ષ્મ છે તે પોતે ઘડે છે.

હવે વ્યવસ્થિત કાયદેસર છે પાછું. વ્યવસ્થિત ગપ્પું નથી આ. કાયદેસર એટલે શું ? ગયા અવતારે જે આપણે યોજનાઓ ઘડેલી હોય છે, ઓન પેપર અગર ઓન ફિલમ, તે યોજનાઓને પાકતાં લગભગ પચ્ચીસ-ત્રીસ વર્ષ, કોઈ ચાલીસ વર્ષે, પણ સો વર્ષની અંદર બધી યોજના પાકી જાય. ત્યાં સુધી એ રૂપક એકદમ ના થાય. એટલે એ યોજના પાકીને આ ભવમાં આપણને ફળ ચાખવા મળે છે.

યોજના એકલી જ ઘડાઈ જાય છે, બીજું કશું

(પા.૧૪)

આપણાથી થતું નથી. યોજના એટલે ઓન પેપર એટલું જ ઘડાય છે, બીજું એની મેળે થયા કરે છે.

જેવી આ યોજના ઘડાઈને, તે એ ઘડેલી કહેવાય અને કર્તાપદ ત્યાં નથી હોતું. અહીં આગળ પછી એ કર્તા માને છે. હવે યોજના ઘડેલી એટલે એની મેળે થયા જ કરવાનું છે. એટલે યોજના એકલી જ ઘડાઈ જાય છે. તેય આપણા એકલાથી નહીં, પાછું નૈમિત્તિક રીતે. જો એકલાથી યોજના ઘડાતી હોય તો પોતાની ધારેલી કરે. પણ પાછું નિમિત્ત છે પાછળ એવું જ પછી. એટલે પછી બધા નૈમિત્તિક સંજોગોથી જ બધું ઘડાય. પણ ધારેલું ચાલે નહીં કશુંય. કાર્ય વખતે નિમિત્ત નહીં પોતે ! જ્યારે પુરુષાર્થ થાય તે વખતે પોતે નિમિત્ત છે.

પ્રશ્નકર્તા : યોજના વખતે પોતે નિમિત્ત ખરો ?

દાદાશ્રી : યોજના વખતે નિમિત્ત, કાર્ય વખતે નિમિત્ત નહીં. કાર્ય કુદરતી રીતે થયા કરે છે અને તેને પોતે માને છે કે ‘મેં કર્યું.’ તે ગર્વ લેવાથી ગર્વરસનો આનંદ આવે છે, તે સાહેબને એનો નવો આવતો ભવ મળે છે.

કર્તા થવું એટલે શું ? યોજનાને આધાર આપવો. અકર્તા થવું એટલે શું ? યોજનાને નિરાધાર કરી દેવી.

યોજના ઘડતી વખતે બધું ફેરફાર થાય, પણ યોજના રૂપકમાં આવવા માંડી ત્યાં ફેરફાર ના થાય. કારણ કે આ જગત પોતે સૂક્ષ્મમાંથી સ્થૂળ થયેલું છે. એટલે ‘સેકન્ડ સ્ટેજ’માં આવેલું છે, ‘ફર્સ્ટ સ્ટેજ’માં નથી. ‘ફર્સ્ટ સ્ટેજ’માં બદલાય. જે સ્થૂળ છે તે ‘વ્યવસ્થિત’ને તાબે છે ને એક્ઝેક્ટ છે ને સૂક્ષ્મ છે તે પોતે ઘડે છે.

પ્રશ્નકર્તા : એટલે એવું પણ બને ને, ડૉક્ટરીમાં કંટાળ્યો, પછી યોજના કરે વકીલાતમાં સુખ છે. તો આ ડૉક્ટરી છૂટે ને વકીલાત ગ્રહણ થાય એવું બને.

દાદાશ્રી : બધું જેટલું જેટલું એણે જેવું ચીતર્યું છે એ ચિતરામણ પ્રમાણે, યોજનાબદ્ધ આયોજન કરેલું છે. કોઈ માલિક નથી. મરવાનું-બરવાનું બધું આયોજન પોતે નક્કી કર્યા પ્રમાણે જ પછી મરણ આવે છે. ‘દવાખાનું મારે સપનેય જોઈએ જ નહીં’, કહેશે. તો આવેય નહીં સપને, ઘેર દવાઓ ખાયા કરતો હોય. બધો તમારો જ ખેલ છે આ. ‘આવી ફ્રેન્ચકટ દાઢી જોઈએ’ તે નક્કી કરેલું, પછી આ દાઢી આટલી જ રાખે, આ ડિઝાઈન છે. અને ગાંયજા (હજામ) એવું જ કરી આપે. હવે બધા વકીલોને બેસાડીને કહીએ, ‘આ હડતાલ શી રીતે પાડે છે તે કહે.’ એ તો ડિઝાઈન છે, એમાં તમે શું કર્યું ? અમે હડતાલ પાડી હતી, કહે. મૂળ વસ્તુ ના સમજે ને, ત્યારે અહંકાર કરે ને ગર્વરસ ચાખે. આ પછી પોલીસવાળા પકડવા આવે ત્યારે આમ આમ (કાલાવાલા) કર્યા કરે, છૂટી જવા સારું. જાણતો ન્હોતો મૂઆ. રાજીખુશીથી જવું જોઈએ આપણે. એમને એમ કહેવું જોઈએ કે ‘તમે નહીં ઝાલો તો ચાલશે. હું તમારી જોડે ચાલું છું.’ તોય એમ ને એમ ઝાલ્યો લઈ જાય છે ત્યારે મૂઆ વાંકાચૂંકા થાય છે !

ભગવાને ના કહ્યું છે, ‘કોઈ યોજના ઘડશો નહીં.’ એનું તો ઘડતર પહેલાં થઈ ગયેલું છે. હવે ફરી નવી યોજના કરો છો, એટલે પેલી જુદી પડશે ને આ જુદી પડશે. એ યોજના તો થઈ ગયેલી છે. હવે તમારે કાર્ય જ કરવાનું છે. યોજના થયા પછી તો અહીં આગળ તમારો સંસારમાં જન્મ થયો. હવે પાછી યોજના શું કરવા ઘડો છો ? રાતે ઓઢીને પાછો યોજના ઘડ્યા કરે.

પ્રશ્નકર્તા : એનો અર્થ એ કે બધું જ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું જ છે. માણસને કોઈ સ્વતંત્ર શક્તિ જ નથી ?

(પા.૧૫)

દાદાશ્રી : ‘એવું ગોઠવાયેલું છે’ એ જ્ઞાન થશે તો અવ્યવસ્થિત થઈ જશે જગત ! આપણે આ નાટક હોય છે, તેમાં ભર્તૃહરીનું નાટક નથી ગોઠવતા ? એમાં આગલે દહાડે રીહર્સલ (અભ્યાસ) કરાવે અને પછી નાટક કરવાનું. એ નાટક કરતાં પહેલાં જો કહે કે ગોઠવાયેલું જ છે, તો એ અભિનય ચૂકી જશે ને પછી દંડ ખાવો પડશે. એટલે ગોઠવાયેલું નથી. કાર્ય કર્યે જાવ, ફળ આવે તે ‘વ્યવસ્થિત’ ! વ્યવસ્થિતનું જ્ઞાન તો બોલવું ના પડે. આપણને ‘ગજવું કપાયું’ એટલે તરત ‘વ્યવસ્થિત’ સમજી જવાનું.

(આપ્તસૂત્ર - ૨૬૯૯)

‘વ્યવસ્થિત’નો અર્થ સમજવો જોઈએ. પ્રયત્ન કરવો, પછી જે થાય તે, જે પરિણામ બને તે ‘વ્યવસ્થિત.’

આ એક્ઝેક્ટ વ્યવસ્થિત છે, મેં જોયેલું છે. તમારા પ્રયત્નોય તેવા થશે. પણ આ શેને માટે ચેતવણી આપવી પડે છે ? કેટલાંક માણસો આ પ્રયત્નો મોળા પડી જાય એવું કરી નાખે છે. ભાવના મોળી કરી નાખે છે કે ‘વ્યવસ્થિત’ છે ને, હવે શું વાંધો છે ? એટલે પછી ધંધા પરેય જાય નહીં. આમ વ્યવસ્થિત બોલાય નહીં. જ્યારે જરૂર પડે ત્યારે જ ‘વ્યવસ્થિત’ બોલાય, નહીં તો ‘વ્યવસ્થિત’ કહેવાય જ નહીં.

પ્રશ્નકર્તા : બન્યા પછી ‘વ્યવસ્થિત.’

દાદાશ્રી : હા, બન્યા પછી વ્યવસ્થિત. એટલે પછી આપણને સંકલ્પ-વિકલ્પ ના થાય કે આવું કેમ થતું હશે ? ‘વ્યવસ્થિત છે’ કહ્યું એટલે પછી સંકલ્પ-વિકલ્પ બંધ થાય, એ છૂટી ગયું.

પ્રશ્નકર્તા : વધુ પડતી જે શ્રદ્ધા છે કે આ વ્યવસ્થિત કરાવે છે, એ આપણા પુરુષાર્થને કમ કરાવી નાખે છે, તો ત્યાં શું કરવું ?

દાદાશ્રી : ના, વ્યવસ્થિત કરાવે છે એવું ના બોલાય. એટલે પોતાની જ જવાબદારી છે બધી એ. કરાવનાર બીજું છે છતાંય જવાબદારી પોતાની છે. અને જો પહેલેથી ‘વ્યવસ્થિત’ કહીએ ને, તો આગળ છે તે પ્રક્રિયા બંધ થઈ જશે. પ્રક્રિયા ચાલુ થઈ અને પછી પરિણામમાં છે તે ત્યાં ખોટ ગઈ દસ લાખ રૂપિયાની એટલે કહેવાનું, ‘વ્યવસ્થિત છે.’ બાકી ખોટ જતા સુધી તો ઠેઠ સુધી પકડી રાખવું.

પ્રશ્નકર્તા : વ્યવસ્થિત પહેલાં બોલાય કે પછી ?

દાદાશ્રી : ખરી રીતે પહેલેથી જ છે, પણ પહેલેથી બોલે તો દુરુપયોગ થશે. કારણ કે હજી જ્ઞાન પ્રગટ થયું નથી. એવી જાગૃતિ ઉત્પન્ન થઈ નથી માટે ભૂલ થશે. અમને એમ લાગે કે આ આમ જ છે. પણ તમે એમ કહેશો તો ઉપાધિ થશે. તમને વ્યવસ્થિત એટલા માટે આપીએ કે તમને સંકલ્પ-વિકલ્પ ના થાય. નહીં તો આ જ્ઞાન તીર્થંકરો ખુલ્લું ના કરત ? શું એ આ જ્ઞાન નહોતા જાણતા ? જાણતા હતા, પણ ખુલ્લું નહોતું કર્યું. ફોજદાર પકડવા આવે તો ‘વ્યવસ્થિત’ કહો એટલે તમને સંકલ્પ-વિકલ્પ ના થાય. બાકી વ્યવસ્થિત તો પહેલેથી જ છે. તમને જાગૃતિ ના રહે માટે પહેલેથી વ્યવસ્થિત ના કહેવાય. લપસવાની જગ્યાએ કહેવું પડે કે ‘લપસાય તેમ છે, માટે ચેતતા રહેજો.’

આપણી પાંચ આજ્ઞાઓ ત્રિકાળી સત્ય છે. પણ અપેક્ષાએ સમજવાની છે, સહુ સહુના ગજા પ્રમાણે સમજવાની છે.

પ્રશ્નકર્તા : બધું વ્યવસ્થિત ગોઠવાયેલું તો છે ને ?

દાદાશ્રી : ભૂખ લાગે છે ત્યારે કેમ ‘વ્યવસ્થિત’ નથી કહેતો ? કૂવા ઉપર બેઠો હોય તો આમ કેમ જોઈને ચાલે છે ? માટે પહેલા

(પા.૧૬)

વ્યવસ્થિત બોલાય નહીં. મહીં પડી ગયા પછી કહેવું કે ‘વ્યવસ્થિત છે.’

પ્રશ્નકર્તા : હા, એટલે એનો અર્થ પુરુષાર્થ કરવો જ જોઈએ ?

દાદાશ્રી : નહીં, પુરુષાર્થ નહીં, પ્રયત્ન કહેવાય છે, વ્યવહારિક પ્રયત્ન. તે જાગૃતિ રાખવી જોઈએ, બીજું કશુંય નહીં અને ભૂલ થઈ ગયા પછી વ્યવસ્થિત અને હતું જ વ્યવસ્થિત, એવું જે હતું ને, તે જ ખુલ્લું થયું.

એવું છે કે જે જાગૃત છે તેને કશું કરવાની શર્ત (જરૂર) નથી. આ તો અજાગૃતોને મેં કહ્યું છે કે તું પ્રયત્ન કરજે, નહીં તો એ ઊંધું કામ કરશે. વ્યવસ્થિતનો અવળો ઉપયોગ કરશે.

એ વ્યવસ્થિત જ્ઞાની પુરુષ એકલા જ એને વ્યવસ્થિત માની શકે બધી રીતે. જ્યાં સુધી જ્ઞાન પૂરેપૂરું થયું નથી, ત્યાં સુધી તમારે તો પ્રયત્ન કર્યા જ કરવાના. બાકી કરે છે બધું વ્યવસ્થિત. જ્ઞાની તો બધી રીતે વ્યવસ્થિત માને. જ્ઞાનીને જ્ઞાનમાં આ બધું દેખાય, કેવી રીતે ચાલી રહ્યું છે.

વ્યવહારમાં ‘થઈ જાય છે’ એવું એકલું માનનારા ને ‘કરવું પડે છે’ એવું માનનારા બેઉ કાચા છે. આપણું આ બે આંખવાળું જ્ઞાન છે. જગત આખાનું જ્ઞાન એક આંખવાળું છે, એકાંતિક જ્ઞાન છે. ‘આ કરવું પડે છે’ એવું વ્યવહારમાં બોલવાનું ને ‘થઈ જાય છે’, એ લક્ષમાં રાખવાનું છે. ‘કરવું પડશે’ એ ભાવ છે ને ‘થઈ જાય છે’ તે વ્યવસ્થિત છે.

‘નિશ્ચિત છે’ એવું નોધારું ના બોલાય. ‘અનિશ્ચિત’ છે એવું નોધારુંય ના બોલાય. જોખમદારી છે, ગુનો થાય. નિશ્ચિત-અનિશ્ચિતની વચ્ચે એ છે. બધી જ કાળજી રાખ્યા પછી ગજવું કપાય જાય અને સમજે ‘વ્યવસ્થિત છે’, તે યથાર્થ છે. વ્યવસ્થિતનો અર્થ સમજાવો જોઈએ. પ્રયત્ન કરવો, પછી જે થાય તે. પરિણામ બને તે ‘વ્યવસ્થિત.’

પ્રશ્નકર્તા : તો કાર્ય ઠેઠ સુધી કરવાનું, પરિણામમાં જ વ્યવસ્થિત રાખવું.

દાદાશ્રી : હા, પરિણામમાં જ વ્યવસ્થિત રાખવાનું, ઠેઠ સુધી પકડી રાખવાનું. ફક્ત તમારે એમ નહીં કહેવું જોઈએ, કે ‘આ બધું વ્યવસ્થિત ચાલ્યા કરે છે’, એવું ના બોલવું. એ ચંદુભાઈના મન-વચન-કાયા જે કાર્ય કરતા હોય ને, તો એને કરવા દેવું કે ‘તમે તમારે કરો’, કહીએ. ખરેખર પોતે કર્તા નથી.

(આપ્તસૂત્ર - ૨૭૦૧)

‘વ્યવસ્થિત’ને લક્ષમાં રાખવાનું છે. એનું ખોટું અવલંબન ના લેવાય. બધા પ્રયત્નો પૂરા થાય અને કાર્ય થાય. ઊંધું વળે તો બોલવું કે ‘વ્યવસ્થિત’ છે.

પ્રશ્નકર્તા : તો આ ‘વ્યવસ્થિત’ બહુ નબળો શબ્દ છે. કારણ કે ઘણી જગ્યાએ બહુ દુરુપયોગ થાય છે.

દાદાશ્રી : હા, એનો દુરુપયોગ થાય તો નબળો શબ્દ કહેવાય અને સદુપયોગ થાય તો વ્યવસ્થિત જેવી વસ્તુ નથી ! અને પાછો વ્યવસ્થિતનો મૂળ અર્થ તો જુદો છે પાછો.

કોઈ નજીકનું સગુંવહાલું આપણું માંદું હોય, અને પછી કોઈ બ્રાહ્મણ કહેશે, ‘એમના ગ્રહો સારા નથી. આ કંઈ ટકે એવું લાગતું નથી.’ એવી વાત આપણે સાંભળી હોય અને છતાં પાછું દાદાનું વ્યવસ્થિત યાદ આવે કે ‘વ્યવસ્થિતમાં હશે એ થશે હવે.’ એટલે પછી દવા બંધ થઈ જાય આપણી. આપણા હાથ નરમ થઈ જાય. આ વ્યવસ્થિતનો દુરુપયોગ કરીએ તો આપણો દવા કરવાનો

(પા.૧૭)

પેલો જે ઉલ્લાસ હતો, એ ઊડી જાય અને રાત્રે બેસવાનુંય ઊડી જાય. એ ભયંકર ગુનો કહેવાય એ. આપણે તો જીવવાના છે, એવું માનીને ઠેઠ સુધી દવા ને બધા ઉપચાર-બુપચાર કરવાના. મહીં ભય લાગે, અંદર ભય લાગ્યા કરતો હોય તો કહેવું, ‘વ્યવસ્થિતમાં જે હશે એ થશે.’ પણ ભય લગાડવાની જરૂર નથી. વ્યવસ્થિત ક્યારે કહેવાય? એ ટપ થયા. એટલે પછી આપણે કહેવું, વ્યવસ્થિત છે. ટપ થયાની સાથે કહી દેવું, વ્યવસ્થિત. ‘આ કોણે કર્યું ?’ ત્યારે કહે, ‘વ્યવસ્થિતે.’

કોઈપણ વસ્તુ ભૂતકાળ થઈ ગયો એટલે વ્યવસ્થિત જ કહેવું. પણ ‘બનવાનું છે’ એને (પહેલેથી) વ્યવસ્થિત કહેવું નહીં. થયા પછી કહો, અને ભય લાગતો હોય તો નક્કી કરવું કે છે વ્યવસ્થિત પણ મારે તો ચોકસાઈ રીતે રહેવું જોઈએ. મારે ભય રાખવાનું કોઈ કારણ નથી. મારે તો ચોક્કસ રીતે જ ચાલવું છે. આટલું જ સમજવાની જરૂર છે. કારણ કે રીત વૈજ્ઞાનિક હોય છે. આ ગપ્પાં મારે એ રીતે ચાલે નહીં, સૈદ્ધાંતિક હોવી જોઈએ. ક્યારે પણ ન તૂટે એવું હોવું જોઈએ. ભઈ ઓફ થઈ (ગુજરી) ગયો, એ યોગ્ય બનવાનું હતું તે બની ગયું. હવે આમાં કશું અમારો દોષ નથી. ડૉક્ટરના હાથે મર્યો હોય તો ડૉક્ટરનો દોષ નથી. એ તો આપણા લોકો ખોટા આરોપ માંડે છે, દાવા માંડે છે. એ તો કંઈ રીત છે ? એ નિમિત્ત છે બધા !

(આપ્તસૂત્ર - ૨૯૩૮)

કોઈ પણ જ્ઞાનનો સદુપયોગ થાય તો એ જ્ઞાન જ વિજ્ઞાન થાય છે અને દુરુપયોગ થાય તો જ્ઞાન અજ્ઞાન થઈને ઊભું રહે છે.

પ્રશ્નકર્તા : અમારે ‘વ્યવસ્થિત’નું અવલંબન ક્યારે લેવું ?

દાદાશ્રી : ગજવું કપાયા પછી, કારણ કે ‘વ્યવસ્થિત’નું સીધું અવલંબન કોણ લે ? સંપૂર્ણ જ્ઞાન હોય તે જ લે. બીજા તો જરાક ડખો કરી નાખે, ‘વ્યવસ્થિત’નો દુરુપયોગ કરી નાખે. એટલે પતી ગયા પછી ‘કમ્પ્લીટ’ ‘વ્યવસ્થિત’ કહેવાનું અને ભવિષ્યનો વિચાર આવે ત્યારે ‘વ્યવસ્થિત’ કહેવું પાછું.

પ્રશ્નકર્તા : કેટલીક વખતે વાતચીતમાં અંદર ‘વ્યવસ્થિત છે, વ્યવસ્થિત છે’ બોલે અને કામની શરૂઆતેય ના કરી હોય.

દાદાશ્રી : ના બોલાય એવું, જોખમ છે એ. એ તો જ્ઞાની પુરુષ ચાહે સો કરે. બાકી બીજા બધાને તો હજુ સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ છે નહીં, એટલે જોખમ લાવે. ‘વ્યવસ્થિત’ કહીને, આંખો મીંચીને કંઈ ચાલતા નથી ? રસ્તામાં આંખો મીંચીને ચાલે ખરો ? કેમ ‘વ્યવસ્થિત’ કહીને ચાલતો નથી ? ત્યાં તો ઉઘાડી આંખે ચાલે છે. અને ‘વ્યવસ્થિત’ કહીને એમ કેમ નથી કહેતો કે હવે બેસી રહો ને, હવે જમવાનું મળે તો ઠીક છે, નહીં તો કંઈ નહીં, ‘વ્યવસ્થિત’ છે ! એવું નથી બોલતો ને ? ‘વ્યવસ્થિત’નો દુરુપયોગ કરે એ ગુનો છે.

(આપ્તસૂત્ર - ૨૪૫૬)

ભૂતકાળનો ભો છૂટી ગયો, ભવિષ્ય ‘વ્યવસ્થિત’ના હાથમાં છે. માટે વર્તમાનમાં વર્તો.

મૂળ વસ્તુ તો વ્યવસ્થિત એટલે શું કે અવ્યવસ્થિત ગયું હવે અને આ વ્યવસ્થિત રહ્યું. અમારી લાઈફમાં હવે વ્યવસ્થિત રહ્યું બધું. એ વ્યવસ્થિત એટલે ભવિષ્યની ચિંતા કરવાની ન્હોય, ભૂતકાળ ભૂલી જવાનું અને નિરંતર વર્તમાનમાં રહેવું એ વ્યવસ્થિત.

આગળ ભૂખ લાગશે કે નહીં, આગળ મરી જવાશે કે નહીં, જીવતું રહેવાશે, માંદું પડાશે કે નહીં, એ તમારે કશું કરવાની જરૂર ના હોય.

(પા.૧૮)

વ્યવસ્થિત જ છે, એમાં તમે કશું ફેરફાર કરી શકવાના નથી. માટે તમે એક વાર જ્ઞાનમાં રહો. અને ફેરફાર કરી શકે એવા હતા પહેલા, ત્યાં સુધી આ જ્ઞાન ન્હોતું, ત્યાં સુધી ફેરફાર કરી શકો એમ હતા. પણ હવે શુદ્ધાત્મા થયા, એટલે ફેરફાર કરી શકો એમ છો નહીં.

હવે બધા લોકોને માટે વ્યવસ્થિત નથી, આપણું જ્ઞાન આપેલું હોય, ‘અક્રમ વિજ્ઞાન’ આપ્યું હોય તેને માટે વ્યવસ્થિત. આ ક્રમિક માર્ગમાંય વ્યવસ્થિત નથી. એટલે તમારે તો વ્યવસ્થિત એટલું સમજી જવાનું કે હવે કશી ઉપાધિ રહી નહીં. હવે તમે વર્તમાનનું કામ કર્યા કરો અને વર્તમાનમાં પાંચ આજ્ઞા પાળ્યા કરો, બસ.

પ્રશ્નકર્તા : વર્તમાનમાં શી રીતે રહેવાય ?

દાદાશ્રી : ભૂતકાળ ભૂલી જઈએ તો ! ભૂતકાળ તો ગોન (ગયો), એને યાદ કરીએ તો શું થાય આજે ? વર્તમાનનો નફો, આ નફો ખોઈએ. અને પેલી ખોટ તો છે જ. ક્યાં રહેવું જોઈએ ?

પ્રશ્નકર્તા : વર્તમાનમાં.

દાદાશ્રી : હં, ભવિષ્યકાળ તો વ્યવસ્થિતને તાબે સોંપ્યો, ભૂતકાળ તો ખોવાઈ ગયો. તો જે જે ભૂતકાળની ફાઈલો મનમાં ઊભી થઈ, તે અત્યારે નિકાલ નહીં કરવાની ? તો કહે, ‘ના, એ તો રાતે દસ-અગિયાર વાગે આવો. એક કલાકનો ટાઈમ રાખ્યો છે તે ઘડીએ આવો, તેનો નિકાલ કરી દઈશું. અત્યારે નહીં.’ અત્યારે તો પૈસાની ખોટેય આવે તો વર્તમાન ખોઈએ નહીં. એટલે ક્યાં રહેવું જોઈએ ?

પ્રશ્નકર્તા : વર્તમાનમાં.

દાદાશ્રી : આ દાદા શેમાં રહે છે ?

પ્રશ્નકર્તા : વર્તમાનમાં.

દાદાશ્રી : હં, ઘડીવાર પેલા અમને આમ કહી ગયા હતા, તો હું યાદ કરું તો પેલું અત્યારે છે તે વર્તમાન, તેય ખોઈ નાખું. થઈ ગયું ત્યાં જ એને નિકાલ કરી નાખવાનો.

પ્રશ્નકર્તા : વર્તમાનમાં વર્તવું એક્ઝેક્ટલી, આમ દાખલા સહિત સમજાવો.

દાદાશ્રી : અત્યારે તમે શેમાં છો ? કુસંગમાં છો કે સત્સંગમાં છો ? હોટલમાં છો કે શેરબજારમાં છો એ ના ખબર પડે તમને ? કયા બજારમાં છો ?

પ્રશ્નકર્તા : સત્સંગમાં છું.

દાદાશ્રી : સત્સંગમાં છો. એટલે અત્યારે વર્તમાનમાં વર્તો છો તમે. હવે ચાર દહાડા પહેલા છસો રૂપિયા તમારા ખોવાઈ ગયા હોય, એ યાદ આવે એટલે ભૂતકાળ થઈ ગયો. એને યાદ કરો અહીં આગળ વર્તમાનમાં, તો ભૂતકાળ ખેંચી લાવ્યા. અને અહીં આવતા અડચણ પડી હોય ને, તો વિચાર કરીએ કે સાલું, આ તો અડચણ પડશે. હવે તો આમ કરવું છે ને તેમ કરવું છે. વર્તમાનમાં અહીં આગળ બેઠા બેઠા ભવિષ્યકાળનો વિચાર કરીએ એ ભવિષ્યકાળ (થઈ ગયો) કહેવાય. એ વર્તમાનમાં વર્તવાનું કહીએ છીએ. શું ખોટું કહીએ છીએ ? સમજાઈ ગયું પૂરું ?

પ્રશ્નકર્તા : હવે સમજાઈ ગયું.

દાદાશ્રી : ઓફિસમાં સાહેબે ચાર વાગે કંઈ કામ સોંપ્યું હોય કે આનું એકસ્ટ્રેક્ટ (અર્ક) જરા કાઢી આપો ને. ત્યારે વચ્ચે મહીં મન ‘રાતે હોટલમાં કેવી મજા આવી હતી’, એવું બોલ્યું એટલે ચિત્રપટેય દેખાય મહીં. એવો એવિડન્સ (સંજોગ) ઊભો થાય તો શું થાય ?

પ્રશ્નકર્તા : બગડી જાય કામ.

દાદાશ્રી : હા, પછી એ વાતનો એકસ્ટ્રેક્ટ

(પા.૧૯)

નીકળે નહીં. એના એ જ સાહેબ પછી બૂમો પાડે. જો ગૂંચાઈ ગયો છે ને ભવિષ્યની ચિંતામાં, ભૂતકાળમાં ખોવાઈ ગયો ને !

પ્રશ્નકર્તા : હા, ખોવાઈ ગયો.

દાદાશ્રી : એટલે આવું છે. અમે જે જ્ઞાન આપ્યું છે ને, વર્તમાનમાં રહો, ભૂતકાળમાં નહીં. કોઈ ભૂતકાળ હેલ્પ (મદદ) નહીં કરી શકે, નુકસાન જ કરશે. એટલે તમે વર્તમાનમાં રહો.

અહીંથી સ્ટેશને ગયા અને ગાડીએ જવું હતું, બહુ ઉતાવળ હતી, આજની તારીખનો કેસ હતો, છતાં ગાડી હાથમાં ના આવી ને ગાડી ચૂક્યા તો ચૂક્યા. એ થઈ ગયો ભૂતકાળ અને ‘કોર્ટમાં શું થશે’ એ ભવિષ્યકાળ, એ ‘વ્યવસ્થિત’ના તાબામાં છે. માટે આપણે વર્તમાનમાં વર્તો ! અમને તો આવું પૃથક્કરણ તરત જ થઈ જાય. તમને જરા વાર લાગે. અમને ‘ઓન ધી મોમેન્ટ’ (તરત જ) બધું જ્ઞાન ત્યાં આગળ હાજર થઈ જાય. અમે નિરંતર વર્તમાનમાં રહીએ છીએ.

(આપ્તસૂત્ર - ૨૯૫૧)

‘પોતે’ અકર્તા થાય તો ‘વ્યવસ્થિત’ કર્તા છે એવું સમજાય, તો જ જગત ‘જેમ છે તેમ’ સમજાય. ‘વ્યવસ્થિત’ સમજાય નહીં ત્યાં સુધી સંકલ્પ-વિકલ્પ જાય નહીં, ભય જાય નહીં, ક્રોધ-માન-માયા-લોભ જાય નહીં.

જગત તો તદ્દન ‘વ્યવસ્થિત’ છે. ભગવાને કેમ ખુલ્લું ના કર્યું ? દુર્જન લોકો દુરુપયોગ કરે, જગત ઊંધે રસ્તે ચાલે, એટલા માટે સાચી વાત ના કહી. ‘વ્યવસ્થિત’ના જ્ઞાનથી તમને સંકલ્પ-વિકલ્પ થાય નહીં. આ જગતમાં કર્તાપણું મટે તો ‘વ્યવસ્થિત’ સમજાય. કર્તાપણું ના મટે ત્યાં સુધી ‘વ્યવસ્થિત’ સમજાય નહીં. પોતે અકર્તા થાય તો ‘આનો કર્તા કોણ છે’ એ સમજાય. પોતે નથી કર્તા, છતાં કર્તા માને છે એટલે આ સમજાય કેમ કરીને ?

પ્રશ્નકર્તા : પોતાનું કર્તૃત્વ તો છોડતો નથી.

દાદાશ્રી : હા. એટલે બીજાને કર્તાપણું થવા જ ના દે ને ? બાકી જગત છે વ્યવસ્થિત. પણ કર્તાપણાને લીધે કલ્પના ઉત્પન્ન થાય જ. અકર્તા થયો ત્યારથી જ ઉકેલ આવ્યો. ત્યાં સુધી ક્રોધ-માન-માયા-લોભ જાય નહીં, ભય જાય નહીં. અશુભનો કર્તા છૂટીને શુભનો કર્તા થયો તોય પણ કર્તા છે, એટલે સંકલ્પ-વિકલ્પ થયા વગર રહે જ નહીં. અને આ ‘વ્યવસ્થિત’ સમજાય નહીં એટલે ‘મારું હવે શું થશે’ એવો વિચાર આવે.

(આપ્તસૂત્ર - ૨૬૦૩)

‘વ્યવસ્થિત’ના જ્ઞાનનો આધાર અને પોતાના સ્વરૂપની જાગૃતિ, તેના આધારે પૂરેપૂરો સંયમ પાળી શકાય.

એક જણ પૂછતો હતો કે મને વ્યવસ્થિતનો નિયમ સમજણ પાડો. ત્યારે મેં એને કહ્યું કે ‘ગાડીમાં પાંચ જણ જતા હોય ને તને કાનપટ્ટી ઝાલીને ગાડીમાંથી ઉતારી પાડે. તોય એમ લાગે કે ઓહોહો ! એ પેલો ઉતારતો નથી, આ તો વ્યવસ્થિત ઉતારે છે.’

બેસાડતી વખતે એમણે કહ્યું હોય કે ‘બેસો.’ અને પછી કહે કે ‘ચંદુભાઈ, ઊતરી પડો.’ તો ચંદુભાઈને તરત જ એમ જ્ઞાન હાજર થવું જોઈએ કે આ વ્યવસ્થિત એમ કહે છે, કે ‘તમે ઊતરી જાવ.’ કોનું નામ દેવાનું ?

પ્રશ્નકર્તા : વ્યવસ્થિતનું નામ દેવાનું. વ્યવસ્થિત કહે છે, ‘ઊતરી જાવ.’

દાદાશ્રી : વ્યવસ્થિત ઊતરવાનું કહે છે. ફરી છે તે થોડે છેટે જાય એટલે પાછા કહે, ‘ના, ના, રહેવા દો આ.’ પેલો ભાઈ કહે કે ‘ના, મારે તો

(પા.૨૦)

નથી અવાય એવું.’ ત્યારે પાછા ચંદુભાઈને કહે, ‘ચાલો. ત્યારે પાછા આવો.’ તો આ ચંદુભાઈ એમ સમજે કે ‘મને વ્યવસ્થિતે બોલાવ્યો’ અને વ્યવસ્થિત બોલાવે એટલે વ્યવસ્થિતના પ્રમાણે બેસવું જ જોઈએ આપણે. થોડી વાર ગયા પછી એક ફર્લાંગ ગયા પછી, બીજો એક ઓળખાણવાળો સામો ભેગો થયો ને, એટલે પછી કહે, ‘એમ કરોને ચંદુભાઈ, તમે ઊતરો આ.’ ત્યારે ચંદુભાઈને સમજાવું જોઈએ કે મને વ્યવસ્થિત આ ઉતારે છે. ત્યાં મોઢું તોબરા જેવું નહીં કરવાનું. વ્યવસ્થિત ઉતારે તેમાં મોઢું શું બગાડવાનું ? અને પછી ઊતરી જવાનું. થોડે છેટે ગયા પછી પેલો માણસ પાછો કહે છે, ‘ના, મારાથી નહીં અવાય, રહેવા દો ને.’ પાછા ચંદુભાઈને કહે, ‘ચંદુભાઈ પાછા આવો, પાછા આવો.’ તોય વ્યવસ્થિતે બોલાવ્યા, એમ સમજવાનું. આવું નવ વખત થાય ત્યારે દાદાની પરીક્ષામાં પાસ થયો, વીતરાગતાની પરીક્ષામાં. નવ વખતમાં તમારું મન ફરે નહીં કશું, એવું મેં કહ્યું છે બધાને. આ વ્યવસ્થિતનું જ્ઞાન એવું સુંદર છે ! માણસ કોઈ કરી શકતો જ નથી. આ વ્યવસ્થિત જ કરે છે અને વગર કામનો મોઢું તોબરું ચઢાવીને કહે, ‘મારે નથી આવવું જાવ તમે.’ બે-ચાર વખત કાઢે ને, એની સાહજિકતા તૂટી જાય.

પ્રશ્નકર્તા : અરે, એમ કહે, ‘તમે શું સમજો છો ? હું શું કૂતરું છું ? મને હડ હડ કરો છો ?’

દાદાશ્રી : ના, એટલે વ્યવસ્થિત કરે છે અને લોકો માને છે કે આ કરે છે. એ નિમિત્ત છે, એને બચકાં ના ભરવા જોઈએ આવા.

પ્રશ્નકર્તા : પણ આ તો વ્યવસ્થિતની ગજબની વાત આપે આપી આ દ્રષ્ટાંતથી.

દાદાશ્રી : નવ વખત ઉતારે તોય ‘વ્યવસ્થિત ઉતારે છે’ એ નથી ઉતારતો. એના હાથમાં શું છે ? સંડાસ જવાની શક્તિ નહીં ને એ બિચારો શું કરવાનો’તો તે ? એ શું ઉતારતો’તો ? એને પેણે મોટર અથડાય, તો મરી જાય !

નવ વખતનો મેં કાયદો કહ્યો છે. મેં કહ્યું, નવ વખત સુધી જો આ માણસ જાળવે તો હું જાણું કે મારા જ્ઞાનમાં પાસ થઈ ગયો. થઈ ગયું કમ્પ્લીટ (પૂરું). બે-ચાર વખત તો ધીરજ રહે, પણ પછી મોઢા પર ફેરફાર થતો જાય. નવ વખત ગાડીમાં બેસવાનું ને નવ વખત ઉતારી દે, તોય વ્યવસ્થિતના જ્ઞાનને ના ચૂકે, એનું નામ આપણું જ્ઞાન ! વ્યવસ્થિત ઉતારે છે ને વ્યવસ્થિત ચઢાવે છે.

પ્રશ્નકર્તા : એવું બરોબર પાકું થઈ જાય.

દાદાશ્રી : એવું હોય તો જ કામનું ! રાગ-દ્વેષ થાય નહીં, નિરંતર વીતરાગતા રહે, એવું આ વિજ્ઞાન છે. વ્યવસ્થિતના આધારે સંયમ પાળી શકાય. વ્યવસ્થિતના જ્ઞાનનો આધાર અને પોતાના સ્વરૂપની જાગૃતિ તેના આધારે સંયમ પૂરેપૂરો પાળી શકાય. તમને સમજાયું ને ?

પ્રશ્નકર્તા : દાદા, આ તો એમ.ડી. કરતાંય બહુ મોટી પરીક્ષા છે.

દાદાશ્રી : ના, આ તો અઢાર-વીસ વર્ષ ઉપર કહેલું. પેલા ભાઈની ગાડી અહીંથી સત્સંગ માટે પાવાગઢ જાય, આમ જાય. તે ઘડીએ ઉતારી પાડવાનું એક-બે વખત બન્યું. એટલે બધાંને કહી દીધેલું કે તમને ઉતારી પાડે એટલે વ્યવસ્થિત ઉતારી પાડે છે, એ જ માનવું જોઈએ. નવ વખત ઉતારે અને નવ વખત ચઢાવે, તો મહીં એ ન થવું જોઈએ કે એમણે મને કેમ ઉતાર્યો ! અને ફરી બોલાવશે, તો તમારું મોઢું ચઢેલું દેખાશે તોબરા જેવું. હા, એ ઉતારનાર કોણ ? અને એમને વ્યવસ્થિત બોલાવે છે. વ્યવસ્થિત બોલાવે કે ના બોલાવે ?

પ્રશ્નકર્તા : બોલાવે.

(પા.૨૧)

દાદાશ્રી : એટલું બધું વ્યવસ્થિતનું કર્તવ્ય છે એવું અમે જોયેલું છે. તેથી અમે ગેરેન્ટી આપીએ ને ! અને વ્યવસ્થિત એકલું જ એવું છે કે જે કોઈનોય ગુનો ના દેખાડે. આ વ્યવસ્થિત છે, મેં કહ્યું છે ને ? વ્યવસ્થિતને તો કોઈ સ્વાર્થ ના હોય, એ વીતરાગતાથી જુએ.

વ્યવસ્થિત સમજાય તો બહુ કામ કરી નાખે. નહીં તો બીજી વખત બોલાવે ને, તો આવું મોઢું ચઢેલું હોય ! ‘અલ્યા મૂઆ, ઘડીવારમાં શી રીતે ચઢી ગયું ઉપર ?’ ઘડીવારમાં શી રીતે ચઢી ગયું હશે ?

પ્રશ્નકર્તા : દાદા, કોઈ બહુ સાધક હોય તો બે-ત્રણ વખત ઠંડું રહે, પણ ચોથી વખતે તો પછી પેલું બધું ભેગું કરીને ઠાલવી દે.

દાદાશ્રી : હા, એટલે આ ધીરજ રાખવાની જરૂર છે.

પ્રશ્નકર્તા : દાદા, આ ફોડ પ્રત્યક્ષ સજીવન મૂર્તિ સિવાય ક્યાં પડે ?

દાદાશ્રી : હા. ચોપડીમાં ના હોય ને ! ચોપડીમાં હોય નહીં. ચોપડીમાં હોય તો તો બધા વીતરાગ જ થઈ જાય ને ! વ્યવસ્થિત સમજી જાય તો વીતરાગ જ થઈ જાય ને બધા ! શાસ્ત્રોમાં આ ના હોય. હું કહું છું ને, એ બધો માર્ગ જ શાસ્ત્રોમાં ના હોય. શાસ્ત્રમાં તો સાધનો બતાવેલા હોય કે આમ કરજો, તેમ કરજો. અહીં કરવાપણાનો માર્ગ ના હોય, આ સમજવાનો માર્ગ હોય. કરવાપણાથી ઉપર ગયેલા આપણે, ભ્રાંતિથી ઉપર ગયેલા. એટલે વાત જ જુદી ને !

(આપ્તસૂત્ર - ૨૯૫૮)

‘શુદ્ધાત્મા’ સિવાયનો ભાગ તે પ્રકૃતિ. પ્રકૃતિ અને બહારના સંયોગો બધા ભેગા થઈને જે કાર્ય કરે તે ‘વ્યવસ્થિત.’

શુદ્ધાત્મા સિવાય બીજો કયો ભાગ રહ્યો ? પ્રકૃતિ રહી. તે ગનેગારી છે. તે પ્રકૃતિ જે કરતી હોય તેમાં આપણે કહીએ, ‘તું જોશથી કર.’ એમેય નહીં કહેવાનું અને ‘ના કરીશ’ એમેય નહીં કહેવાનું. આપણે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું, તો ‘વ્યવસ્થિત.’

પ્રશ્નકર્તા : પ્રકૃતિ અને વ્યવસ્થિતને સંબંધ ખરો ?

દાદાશ્રી : બેઉને સંબંધ છે. સાચો સંબંધ એમાં જ છે. બન્નેને સાચો સંબંધ જ છે. આ તો જો કદી અહંકાર ડખલ ના કરે તો બધું તે વખતે વ્યવસ્થિત છે. પણ અહંકાર જીવતો છે ને મૂઓ !

પ્રશ્નકર્તા : અને અત્યારે તો જે જીવ ભોગવી રહ્યો છે, એ એની પ્રકૃતિ મુજબ એને વ્યવસ્થિત છે ?

દાદાશ્રી : પ્રકૃતિ અને વ્યવસ્થિત, બે એક જ છે. પણ અહંકાર છે ને, એ ડખલ કરે છે, પ્રકૃતિ રહેવા દેતો નથી. એટલે વ્યવસ્થિત કહેવાય નહીં. અહંકાર કાઢી આપીએ પછી વ્યવસ્થિત કહીએ એ જુદું છે. આ શુદ્ધાત્મા સિવાય બીજી બધી પ્રકૃતિ, જે જે કરે છે એ બધું પ્રકૃતિ જ કરે છે.

પ્રશ્નકર્તા : વ્યવસ્થિત શક્તિ અને પ્રકૃતિમાં શું ફરક ?

દાદાશ્રી : વ્યવસ્થિત શક્તિ અને પ્રકૃતિમાં ફેર એટલો જ કે પ્રકૃતિ અહંકાર સહિત છે, એટલે વ્યવસ્થિતને ફેરવી નાખે. એટલે અહંકાર મહીંથી બાદ કરી નાખીએ તો પછી વ્યવસ્થિત જ છે. ડખો કરનારો બાદ કરી નાખીએ, ડખો કરનારો કોઈ ના હોય તો બધું વ્યવસ્થિત છે. આ ડખો કરે છે તેથી આ સંસાર ઊભો રહ્યો છે.

પ્રશ્નકર્તા : એટલે પ્રકૃતિ માઈનસ અહંકાર ઈઝ ઈક્વલ ટુ વ્યવસ્થિત શક્તિ એ બરાબર ?

(પા.૨૨)

દાદાશ્રી : હા, આ અહંકાર મહીં છે ને, તે ડખો કરે છે. તેથી આ ઊભો રહ્યો છે સંસાર. એ જો ડખો ના કરે તો કશો વાંધો નથી. આ જ્ઞાન પછી તમારે ડખો કરનારો કોઈ છે નહીં એટલે વ્યવસ્થિત.

પ્રશ્નકર્તા : આ જિંદગીમાં વ્યવસ્થિત શક્તિના તાબામાં શું અને આપણા તાબામાં શું ?

દાદાશ્રી : ભૌતિક બધું વ્યવસ્થિતના તાબામાં અને આપણા તાબામાં છે તે રિયલ. જાગૃતિ બધી રિયલની, એ બધી આપણા તાબામાં, અને ભૌતિક બધું એના તાબામાં.

આ ચંદુભાઈ જ વ્યવસ્થિતને તાબે છે. તેને આપણે કહીએ, ‘હું ચંદુભાઈ છું’, તેના ઝઘડાં ચાલ્યા. હવે ‘તમને’ તમારું સ્વરૂપ મળી ગયું, એટલે તમે તમારે ઘેર રહી શકો છો. હવે જેને સ્વરૂપ ના મળી ગયું હોય તેને ‘હું ચંદુભાઈ છું, હું કરું છું’ એમ જ રહે.

પ્રશ્નકર્તા : તો આત્મા અને વ્યવસ્થિત શક્તિ, એ બેની વચ્ચેની લિંક સમજાવો.

દાદાશ્રી : આ સંસારનો બધો વ્યવહાર છે તે વ્યવસ્થિત ચલાવી લેશે અને જે જાગૃતિ છે, જે પુરુષાર્થ છે, પાંચ આજ્ઞા પાળવાની એ તમારું કામ છે. બીજું બધું આ તમારું કામ નથી, આ વ્યવસ્થિતના તાબામાં છે.

હવે તમે શુદ્ધાત્મા થયા. હવે આ સંસાર શું છે ? ત્યારે કહે, વ્યવસ્થિતના આધીન છે. એને તું જો. જેટલું છે એટલું બધું જ તું જો. એટલે એ બધું ધીમે ધીમે સહજ ભાવે ચાલ્યા કરશે અને તું જ્ઞાતા-દ્રષ્ટામાં રહી શકીશ, સ્વ-ઉપયોગમાં ! આટલું જ કહેવા માંગે છે એ. ત્યારે કહે, ‘એમાં છે તે કોઈએ મારી મશ્કરી કરી.’ તો કહે, ‘સમભાવે નિકાલ કરી નાખજે.’ તે સમભાવે નિકાલ કરીને કામ લેજે, કોઈ ગમે તેવું કરે તોય. તું બહાર ગયો ને તાળું તોડીને તારું ચોરી ગયો બધુંય ને આવીને જોયું, તો કશુંય થાય નહીં, ‘વ્યવસ્થિત !’

(આપ્તસૂત્ર - ૩૪૨૯, ૩૪૩૧)

‘અમારી’ ‘પાંચ આજ્ઞા’ની બહાર આ જગતનું એક પણ પરમાણુ નથી. ‘અમારી’ એક જ આજ્ઞા સંપૂર્ણ પાળે ને, તો એકાવતારી થઈ જવાય તેવું છે ! પછી જેવી જેની સમજણ, પણ અબુધ થઈને કામ કાઢે તો.

પ્રશ્નકર્તા : આપ જે કહો છો તેનું એવી રીતે સમજાય છે કે આપે જે જ્ઞાન આપ્યું, એ જ્ઞાન આપ્યા પછીથી હવે કશું જ કરવાનું નથી. માત્ર પ્રકૃતિ જે હવે ગળ્યા કરે છે તે ‘જોયા’ કરો.

દાદાશ્રી : ‘જોયા’ કરો. પણ તે હવે કશું કરવાનું નથી, છતાં પ્રકૃતિના ભાગ જુદી જુદી જાતના હોય. પ્રકૃતિ એ તો આ અરધા ઈંચનો પાણીનો પાઈપ હોય તો આંગળી ધરીએ તો જીરવી શકે. પણ કોઈના કર્મ વધારે હોય તો દોઢ ઈંચનો હોય તો આંગળી ખસી જાય. ખસી જાય એટલે પ્રકૃતિ ખપી ના કહેવાય. પ્રકૃતિ ઊભી રહી અને એ ટાઈમ ગયો એટલે ફરી ખપાવવી રહી.

પ્રશ્નકર્તા : પણ આપ જે જ્ઞાન આપો છો, તે વખતે જે આ લક્ષ બેસાડી દો છો. એ લક્ષ બેસાડી દીધા પછીથી તો માત્ર પ્રકૃતિ જ રહી ને ?

દાદાશ્રી : હા, બીજું કશું જ રહ્યું નથી.

પ્રશ્નકર્તા : હવે જે પ્રકૃતિ રહી, એ પ્રકૃતિનો સ્વભાવ જ એવો છે કે સહજપણે એ ગળ્યા કરે છે.

દાદાશ્રી : બસ, હવે એ વહ્યા જ કરે છે.

પ્રશ્નકર્તા : ત્યારે હવે આપ અમને જે આધાર આપો છો, તે પાંચ આજ્ઞાનો આધાર આપો છો.

(પા.૨૩)

દાદાશ્રી : પાંચ આજ્ઞાનો આધાર એટલા માટે આપીએ છીએ કે તમારે હવે બહારની અસરો ન થાય. એટલે પ્રોટેક્શન (રક્ષણ) છે એ !

પ્રશ્નકર્તા : એટલે અંદરથી તો કોઈ હવે અડચણ કરનારું રહ્યું જ નથી.

દાદાશ્રી : હા, કોઈ રહ્યું જ નથી.

પ્રશ્નકર્તા : અને આ બહારની અડચણો જે ન થાય તેને માટે...

દાદાશ્રી : બહાર ક્લીયરન્સ (ચોખ્ખું) રહે એટલા માટે પાંચ આજ્ઞા છે. કારણ કે બહાર આખું જગત જ્યાં જુઓ ત્યાં કુસંગ હશે. એટલે કુસંગની અસર ઝેર-પોઈઝન ન થાય, એટલા માટે આ પાંચ આજ્ઞા છે.

એટલે ડિસ્ચાર્જ એની મેળે ચાલ્યા કરે. આ તો ચલાવવા જાય, પછી એના માલિક થાય, ને માલિક થયા એટલે માર ખાવ. આપણે ગાડીમાં બેસીએ છીએ, પછી એની મહીં સૂઈ ગયા, એ પછી કંઈ તપાસ કરે છે કે નીચે કેટલા ચકરડાં ચાલે છે ? કેટલી સ્પ્રીંગો ખચાક ખચાક કર્યા કરે છે ? ભઈ સૂઈ ગયા છે નિરાંતે, લે ! એવી રીતે આ ડિસ્ચાર્જ છે. આ ડિસ્ચાર્જ છે તે એની મેળે ચાલ્યા જ કરશે. સૂઈ જાય તોય ચાલ્યા કરે.

પ્રશ્નકર્તા : ‘કશું કર્યા સિવાય થાય નહીં’, એવું અત્યાર સુધીની બધાની માન્યતા છે.

દાદાશ્રી : હા, એવું. જે પેલી પેઠી છે, માન્યતા-રોંગ બિલીફો બધી, તે ખસતી નથી હજુ. દેહાધ્યાસ ગયો, પણ દેહાધ્યાસની માન્યતાઓ જતી નથી.

આ તો દહીંમાં હાથ ઘાલીને ડખો કરે છે ઊલટો. આપણે કહ્યું હોય રાતે કે આખી રાત સૂઈ રહેજે. દહીંને જોવા ના જઈશ. તોય છે તે બે વાગે ઊઠે ને, તો કહે છે, ‘જરા જોઈ લઉં, થોડું થયું કે નહીં થયું ?’ તે સવારમાં ડખો થાય, પેલા ચોસલા ના મળે. નહીં તો વિજ્ઞાન છે આ તો ! તરત ફળ આપનારું છે ! આજ્ઞામાં જ રહેવાનું.

વિજ્ઞાન એનું ફળ આપ્યા વગર રહે નહીં. સહજભાવે ઉકલ્યા જ કરે. તમને વ્યવસ્થિતનો થોડોઘણો અનુભવ નથી, સહજ ભાવે ઉકલે છે એવું ?

પ્રશ્નકર્તા : હા, ઉકલે છે. એવો અનુભવ થાય છે કે સહજભાવે ઉકલે છે. એટલે એ બાજુ વ્યવસ્થિત બધું કર્યા જ કરે છે, એવું એક બેસી ગયું છે.

દાદાશ્રી : વ્યવસ્થિત બેસી જાય ને જોડે જોડે પાંચ આજ્ઞા પાળો ને, તો સહજભાવે બધું ઉકલ્યા કરે. વ્યવસ્થિત તો નિર્ભય બનાવે છે, બિલકુલ નિર્ભય ! ચિંતારહિત બનાવે છે અને વ્યવસ્થિતનું વિશેષ જ્ઞાન છે આ. એટલે આ કાળમાં આ વિશેષજ્ઞાન અમારા અનુભવનું આપ્યું છે.

(આપ્તસૂત્ર - ૨૭૧૮)

આ તો ‘સાયન્સ’ (વિજ્ઞાન) છે ! ભગવાનનો ‘સાયન્ટિફિક’ પ્રયોગ છે. કર્મેય નથી ને કર્તાય નથી, કોઈ બાપોય નથી. ખાલી ‘સાયન્સ’ છે !

પ્રશ્નકર્તા : આ દુનિયા એટલે વ્યવસ્થિતની લેબોરેટરી (પ્રયોગશાળા) જ કહેવાય ને ?

દાદાશ્રી : હા, લેબોરેટરી તરીકે. આ લેબોરેટરીમાં આત્મા શું ગણાય છે ? યોજક રૂપે ને આ છે યોજના. એમાં આ વસ્તુ નાખો, આ વસ્તુ નાખો. તે પોતાને નાખવી પડતી નથી, એની મેળે જ નંખાય છે. તેમાં કેમીકલ ઈફેક્ટસ (રસાયણોની અસરો) થાય છે, તેમાં પોતે ભ્રાંતિથી આંગળી ઘાલે છે ને પોતે દઝાય છે. પેલા સાયન્ટિસ્ટ (વિજ્ઞાની)

(પા.૨૪)

હાથ ના ઘાલે, જ્ઞાની પણ હાથ ના ઘાલે. ખાલી જોયા કરે ને આ હાથ ઘાલે, ઈમોશનલ થાય તો દઝાય પછી !

પ્રશ્નકર્તા : તો પછી પૂર્વકર્મના હિસાબે જે જીવન ઊભું થયું, વ્યવસ્થિતના હિસાબે એ તો ભોગવવાનું જ છે, તો પછી આ ચાલુ જીવનમાંય કોઈ કર્મ એવું કરે તો એનાથી વ્યવસ્થિતમાં કંઈ ફેરફાર થાય ?

દાદાશ્રી : કશો જ ફેરફાર નથી થવાનો. અહીં જન્મ્યો ત્યાંથી છેલ્લા સ્ટેશન ઉપર ગયો, તે નનામી કાઢે, ત્યાં સુધી બધું ફરજિયાત છે. અને એને મરજિયાત માને છે તે ભ્રાંતિ છે. મરજિયાત માન્યું એટલે ભ્રાંતિ ! છે ફરજિયાત. કર્યા વગર ચાલે જ નહીં એવું છે આ. કારણ કે એ ડિઝાઈન થઈ ગયેલી છે. એ યોજના ઘડાઈ ગયેલી છે, ને એ યોજના આ લાઈફમાં રૂપકમાં આવી છે. એટલે ઘડાયેલી યોજના પ્રમાણે જ થયા કરવાનું છે. એ રૂપકમાં કંઈ ફેરફાર થવાનો નથી અને તે ફરજિયાત છે. એટલે તમે ફેરવવા માંગો તોય કશું ફરે નહીં.

પ્રશ્નકર્તા : આ મુક્તિ એ પણ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સને આધારે જ ને ?

દાદાશ્રી : હા, બધું જ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે જ. એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધાર વગર તો કોઈ ચીજ નથી. આ જન્મેય એના આધારે, મરણેય એના આધારે, આ શાદીય એના આધારે, બધું એના આધારે છે. મુક્તિય એના આધારે છે.

સાચી વસ્તુ જાણવી તો પડશે ને, એક દહાડો ! માર ખઈનેય છેવટે તો જાણવી પડશે ને ! નહીં તો અનંત અવતાર થશે, આ અવતારમાં નહીં તો બીજા અવતારમાં, ત્રીજા અવતારમાં પણ જાણવી તો પડશે જ ને ! ક્યાં સુધી અજાણ્યા રહીશું ?

(આપ્તસૂત્ર - ૩૭૭૬)

‘આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે તે જગતને પોસાય યા ના પણ પોસાય, છતાં હું કંઈ જ કરતો નથી’ એવો જે નિરંતર ખ્યાલ રહેવો એ ‘કેવળદર્શન’ છે !

આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે, ખરું-ખોટું, ગમે તે કરવામાં આવે, તે જગતને પોષાય એટલે આ ચાલીના આ બાજુના કહે, ‘ના, નથી પોષાતું’ અને આ બાજુવાળાને આપણું પોષાય, તે એનો વાંધો નહીં આપણને. જગતને પોષાય યા ન પણ પોષાય, છતાં ‘હું કંઈ જ કરતો નથી’, એવો ખ્યાલ રહેવો, નિરંતર ખ્યાલ રહેવો એ જ કેવળદર્શન છે. કેવું અજાયબીવાળું વાક્ય ! નિરંતર ખ્યાલ રહેવો જોઈએ. અને તેય પહેલું અમે આપીએ જ છીએ બધાને.

આ ચંદુભાઈ સવારમાં ઊઠીને જે કંઈ કરે છે, તે એમાં તમે એક વાળ પણ કર્યો નથી. એવું તમને શ્રદ્ધા બેસી જાય, એ પ્રતીતિ બેસી જાય કે હું કંઈ કરતો નથી, ત્યારે કેવળદર્શન થાય.

પોતાની પ્રતીતિ સંપૂર્ણ બેસી ગઈ. ‘હું કર્તા નથી’ એ પ્રતીતિ બેઠી. આ જન્મથી અત્યાર સુધી કોઈ ચીજનો હું કર્તા નથી, એની પ્રતીતિ બેસવી એનું નામ કેવળદર્શન. લોકોને કર્તાપણું જાય નહીં, છૂટે નહીં. આપણે છોડાવીએ તોય ના છૂટે.

ક્રમિકમાં પહેલું જ્ઞાન પછી દર્શન, આપણા અક્રમમાં દર્શન પહેલા પછી જ્ઞાન. ક્રમિક માર્ગમાં જ્ઞાનને બુદ્ધિએ કરીને જણાય, પછી દર્શનમાં આત્મા આવે. ત્યાં જ્ઞાને કરીને જ્ઞાન ના સમજાય. જ્યાં ત્યાગ ત્યાં જ્ઞાન નહીં. જ્યાં ‘હું આનો કર્તા છું’ એમ કિંચિત્માત્ર રહે ત્યાં આત્મા અધૂરો રહે, જ્ઞાન અને દર્શન અધૂરું રહે, કેવળદર્શન ના થાય.

પ્રશ્નકર્તા : ‘હું કંઈ જ કરતો નથી’ એ ભાવ નિરંતર રહે તો કેવળદર્શન થાય ?

(પા.૨૫)

દાદાશ્રી : હા, કારણ કે તીર્થંકરો વર્તનને જોતા નથી, એ ભાવસત્તાને જુએ છે. એટલે આપણને તીર્થંકરોનું માન્ય છે, ને લોકોનું આપણે ક્યાં માન્ય કરીએ ?

ચંદુભાઈ ગમે તે કરતા હોય, સારા-ખોટામાં જો તને ‘હું કંઈ જ કરતો નથી’ એવો ખ્યાલ રહેતો હોય તો તું મહાવીર થઈ રહ્યો છું. બહુ મોટું વાક્ય છે આ !

(આપ્તસૂત્ર - ૨૯૫૩)

‘વ્યવસ્થિત’ ‘એક્ઝેક્ટ’ આખુંય સમજાઈ જાય તો તો તમે પૂર્ણ પરમાત્મા જ થઈ જાવ ! જેટલું જેટલું ‘વ્યવસ્થિત’ સમજાય તેટલો તેટલો મનુષ્યમાંથી પરમાત્મા થવા માંડે !

જો કદી અમારું આપેલું ‘વ્યવસ્થિત’ એક્ઝેક્ટ સમજે, તો આ બાજુ કેવળજ્ઞાન થાય એવું છે. જેટલી સમજ બેઠી અને ફિટ થઈ ગઈ અને એની પેલી બાજુ કેવળજ્ઞાન સામું થાય એવું છે. એ અમારી ફુલ (પૂર્ણ) સમજમાં આવ્યા પછી અમે આપેલું છે અને અમારી આ કેટલાય અવતારની શોધખોળ છે.

જગતના લોક કહે છે કે ‘કેવળજ્ઞાન’ કરવાની ચીજ છે. ના, એ તો જાણવાની ચીજ છે. કરવાની ચીજ તો કુદરત ચલાવી રહી છે. કરવું એ જ ભ્રાંતિ છે. આ શક્તિ કેટલી જાહોજલાલીથી તમારા માટે કરી રહી છે ! એ શક્તિને તો ઓળખો. આ તો ‘વ્યવસ્થિત’ શક્તિનું કામ છે.

વ્યવસ્થિત તો બહુ મોટી વસ્તુ છે. વ્યવસ્થિત સમજવું ને એક બાજુ કેવળજ્ઞાન થવું, બે સાથે થાય છે. એટલે આ વ્યવસ્થિત પૂરેપૂરું સમજવું જોઈએ. વ્યવસ્થિત સમજાઈ ગયું કે કલ્યાણ થઈ ગયું ! વ્યવસ્થિત પૂરું સમજાય તે દહાડે કેવળજ્ઞાન થઈને ઊભું રહ્યું હોય. વ્યવસ્થિતનું પૂર્ણ જ્ઞાન એનું નામ કેવળજ્ઞાન.

પ્રશ્નકર્તા : વ્યવસ્થિતનું પૂર્ણ જ્ઞાન એનું નામ કેવળજ્ઞાન ?

દાદાશ્રી : હા, કેવળજ્ઞાન. આ બધું સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે, અવસ્થા માત્ર કુદરતી રચના છે, તેવું જ્યારે ફિટ થશે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થશે.

પ્રશ્નકર્તા : સો ટકા વ્યવસ્થિતમાં આવીએ ત્યારે આ કર્તાપણું જાય ?

દાદાશ્રી : વ્યવસ્થિત સો ટકા સમજાય, વ્યવસ્થિતનો ઉઘાડ થાય, વ્યવસ્થિત એક્ઝેક્ટ સમજમાં આવી જાય તો કેવળજ્ઞાન થાય. ત્યાં સુધી જેટલી સમજણ પડે, એટલું કેવળજ્ઞાન ખુલ્લું થાય ધીમે ધીમે. વ્યવસ્થિત બુદ્ધિથી સમજાય એવું નથી, દર્શનથી સમજાય તેવું છે.

આ જગતમાં કશું આવડતું ના હોય ને ‘વ્યવસ્થિત છે’ એવું સમજાય તેને કેવળજ્ઞાન થઈ ગયું છે એમ કહેવાય. આ વ્યવસ્થિત, વ્યવસ્થિત જ છે પણ વ્યવસ્થિત સમજાવવું જોઈએ, અનુભવમાં આવવું જોઈએ. અને આ વ્યવસ્થિત સમજાઈ જાય ને, પછી કશું સમજવા જેવું રહ્યું જ નહીં. વ્યવસ્થિત પૂરેપૂરું સમજી જાય તે સંપૂર્ણ જ્ઞાતા-દ્રષ્ટા રહી શકે.

પ્રશ્નકર્તા : ‘વ્યવસ્થિત બરોબર સમજાય તો કેવળજ્ઞાન છે’ એ જરાક સમજાવો વધારે.

દાદાશ્રી : વ્યવસ્થિતમાં આ જેટલું સમજાય ને, એટલા કેવળજ્ઞાનના અંશ ખુલ્લા થઈ જાય. પછી એ બાજુ જોવાનું જ ના હોય. જેટલું સમજાય એ સાઈડમાં જોવાનું જ ના રહે. જે જ્ઞાનમાં કંઈ જોવાનું ના રહે, એ કેવળજ્ઞાન કહેવાય. એટલે જ્યારે આ આખું ઊડી જાય છે ને, ત્યારે એ કેવળજ્ઞાન બધું કમ્પ્લીટ થઈ ગયેલું હોય એક બાજુ.

(પા.૨૬)

એ વ્યવસ્થિત એટલે સુધી સમજતા સમજતા જવાનું છે કે છેલ્લું વ્યવસ્થિત કેવળજ્ઞાન ઊભું કરશે ! આ વ્યવસ્થિત મારી શોધખોળ એવી સુંદર છે, આ અજાયબ શોધખોળ છે ! આ વ્યવસ્થિત તો સમજાઈ ગયું છે ને, પૂરેપૂરું ?

પ્રશ્નકર્તા : પૂરેપૂરું તો કેવી રીતે કહેવાય ?

દાદાશ્રી : જેમ જેમ વ્યવસ્થિતના પર્યાયો સમજાતા જશે, જેટલા વધારે પર્યાય સમજાય એટલો વધારે લાભ થાય. આ વ્યવસ્થિતનું બધાને સમજાય ખરું, પણ સહુ સહુના પર્યાય પ્રમાણે. પછી સંપૂર્ણ પર્યાય સમજાઈ જાય તો તે દહાડે કેવળજ્ઞાન થયેલું હોય. મારેય ચાર ડિગ્રીના પર્યાય ખૂટે. એટલે વ્યવસ્થિત સમજવા જેવી વસ્તુ છે.

જેટલી રોંગ માન્યતાઓ ખસે એટલી જાગૃતિ વધે અને એટલું જ ‘વ્યવસ્થિત’ સમજાય એને ! રોંગ માન્યતાઓ ખસે તેમ વ્યવસ્થિત સમજાતું જાય અને એમ પાછી જાગૃતિ વધતી જાય. વ્યવસ્થિત સંપૂર્ણ સમજાશે ત્યારે પૂર્ણાહુતિ ! પણ વ્યવસ્થિત એકદમ સમજાય નહીં.

અમારો એક-એક શબ્દ સમજી જાય ને, એક જ શબ્દ જો સાચો, સારી રીતે સમજી જાય ને, તો ઠેઠ કેવળજ્ઞાન સુધી લઈ જાય ! પણ સાચી રીતે સમજવો જોઈએ !

આપણે જ્ઞાન આપીએ છીએ, તે અલૌકિક જ્ઞાન આપીએ છીએ બધાને. ‘વ્યવસ્થિત’નો જો અર્થ સમજે તો તો કામ કાઢી નાખે.

આ વ્યવસ્થિત સમજાયું ને, એ તો હજુ સ્થૂળ સમજેલું છે. હજુ સૂક્ષ્મ વ્યવસ્થિત આખું સમજવાનું છે, પછી સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ. વ્યવસ્થિત પુરું સમજાય એટલે કેવળજ્ઞાન થાય.

જય સચ્ચિદાનંદ