અહો ! અહો ! આ જાગૃત દાદા !

સંપાદકીય

પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) કહેતા કે ૧૯૫૮માં અમને જ્ઞાન થયા પછી પૂર્વ જીવનના દોષો દેખાવા માંડેલા. રોજના ત્રણ-ત્રણ હજાર દોષો દેખાતા હતા, તે ચાર વર્ષ પ્રતિક્રમણ કરી બધા દોષો ચોખ્ખા કરી જ્ઞાની પદે પહોંચ્યા. તો પછી પ્રશ્ન એમ થાય કે જ્ઞાની પદે પહોંચ્યા પછી તેઓ કેવા અને શેના પ્રતિક્રમણ કરતા હશે ? જ્ઞાનીઓની પ્રત્યેક ક્ષણ કલ્યાણ અર્થે હોય છે, તો તેમને પ્રતિક્રમણ શાના ? આવા કંઈક ગુહ્ય પ્રશ્નોના જવાબ આ અંકમાં સંકલિત થયા છે.

દાદાશ્રી પોતાની દશાનું વર્ણન કરતા કહે છે કે અમારે તો વાળ જેટલીય ભૂલ થાય તો તરત ખબર પડી જાય ! તે મહીં કેવી કોર્ટ હશે ? કેવું જજમેન્ટ હશે ? અમારા પ્રતિક્રમણ તો ઉપયોગ ચૂક્યાના પ્રતિક્રમણ, કલ્યાણના નિમિત્ત માટેનો રાગ, અમારી ખટપટો, સ્યાદ્વાદ ચૂક્યાના, દોષ થતાં પૂર્વેના પ્રતિક્રમણો નિરંતર ચાલ્યા જ કરતા હોય છે. જ્ઞાની પુરુષની એક સ્થૂળ કે સૂક્ષ્મ ભૂલ ના હોય ! સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ભૂલો જ હોય. જેના પોતે સંપૂર્ણ જ્ઞાતા-દ્રષ્ટા હોય, અને એ ભૂલો કોઈને નુકસાનકર્તા ના હોય, માત્ર પોતાના ‘કેવળજ્ઞાન’ને જ રોકતી હોય !

પૂર્વે ઉદયમાં આવેલી દશાઓમાં પોતે આજે નથી, આજે આત્મારૂપ પોતે છે. છતાં પોતાનો પૂર્વાશ્રમ વાણીમાં બોલ્યા, તે નિશ્ચય દ્રષ્ટિએ ભૂસી નાંખવું પડે. બોલતી વખતેય જાગૃતિ હોય જ કે આ હું નથી, એ પોતે તે નથી, એય આત્મા છે ને હુંયે આત્મા છું, છતાં બોલવાનું ઉદયમાં આવ્યું માટે ચોખ્ખું કરવું પડે. પ્રગટ જ્ઞાન અવતારની આ જ અદ્ભુતતા છે. પોતાનું આત્માપણું ચૂકવું નથી અને અજ્ઞાન દશામાં વ્યવહારની ભૂલોના પ્રસંગો પોતાના જીવનમાં જે બન્યા તે ખુલ્લા કર્યા અને ચોખ્ખા કરી નાખ્યા. જોડે જોડે નિશ્ચયથી તત્ત્વ દ્રષ્ટિ ચૂકાય નહીં તે વાતેય ખુલ્લી કરી. આમ નિશ્ચયની સાથે સાથે વ્યવહારથી પણ સંપૂર્ણ શુદ્ધતામાં આવી ગયા.

દાદાશ્રી કહેતા હતા કે ‘મારામાં ભૂલ જ નથી’ એવું તો ક્યારેય ના બોલાય. ભગવાન મહાવીરને કેવળજ્ઞાન ઉપજ્યું ત્યાં સુધી દોષો દેખાતા હતા. ભગવાનને કેવળજ્ઞાન ઉપજ્યું તે કાળ અને પોતાના દોષ દેખાતા બંધ થવાનો કાળ એક જ હતો. છેલ્લા દોષનું દેખાવું બંધ થવું અને આ બાજુ કેવળજ્ઞાન ઊભું થવું એવો નિયમ છે.

દાદાશ્રીની અત્રે ઉચ્ચ કોટિની આંતરિક પરિણતિ એમના જ શબ્દોમાં વ્યક્ત થઈ છે, જે વાંચતા જ એમના પ્રત્યે અંદરથી અહોભાવ થાય છે કે આપણા દાદા મહાન છે ! હવે આવા દાદાની જાગૃતિની વાતો જાણ્યા પછી મહાત્માઓને પોતાના પુરુષાર્થ માટે દોષોના સ્વરૂપોને ઓળખી કેવી રીતે પ્રતિક્રમણ રૂપી હથિયાર વાપરવું તેની સૂક્ષ્મતર-સૂક્ષ્મતમ લેવલની સમજ પ્રાપ્ત થાય છે અને એ દિશામાં મહાત્માઓને પુરુષાર્થ મંડાય એ જ અભ્યર્થના.

~ જય સચ્ચિદાનંદ.

અહો ! અહો ! આ જાગૃત દાદા !

(પા.૪)

આવરણ જોવા ના દે દોષો

પ્રશ્નકર્તા : હવે પોતાની પ્રકૃતિ દેખાવા માંડી છે, બધું દેખાય, મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધું દેખાય પણ એનો સ્ટડી (અભ્યાસ) કેવી રીતે કરવો ? એની આગળ જ્ઞાન કેવી રીતે કામ કરવું જોઈએ ? કેવી જાગૃતિ રહેવી જોઈએ ?

દાદાશ્રી : પોતાની પ્રકૃતિ તો આપણને માલમ જ પડી જાય. એ આપણને ખબર જ પડી જાય કે આ પ્રકૃતિ આવી જ છે અને ઓછી ખબર પડી હોય તો દહાડે દહાડે સમજ વધતી જાય ! પણ છેવટે ‘ફૂલ’ (પૂર્ણ) સમજમાં આવે. એટલે આપણે ફક્ત કરવાનું શું છે કે આ ચંદુભાઈ શું કરી રહ્યા છે તે આપણે જોયા કરવાની જરૂર છે, એ જ શુદ્ધ ઉપયોગ છે.

પ્રશ્નકર્તા : પોતાની પ્રકૃતિને જોવાની હોય, એમાં જોવાય નહીં ને પાછું ચૂકી જવાય તો એમાં કઈ વસ્તુ કામ કરતી હોય છે ?

દાદાશ્રી : આવરણ, એ આવરણ તોડવું પડે એ તો.

પ્રશ્નકર્તા : એ કેવી રીતે તૂટે ?

દાદાશ્રી : આપણે અહીં વિધિઓથી તૂટતું જાય દહાડે દહાડે, તેમ તેમ દેખાતું જાય. આ તો બધું આવરણમય જ હતું, કશું દેખાતું નહોતું, તે ધીમે ધીમે દેખાવા માંડ્યું. એ આવરણ જોવા ના દે બધુંય. અત્યારે બધાય દોષ દેખાય નહીં. કેટલા દેખાય છે ? દસ-પંદર દેખાય છે ?

પ્રશ્નકર્તા : ઘણા દેખાય છે.

દાદાશ્રી : સો-સો ?

પ્રશ્નકર્તા : ચેઈન (શૃંખલા) ચાલ્યા કરે.

દાદાશ્રી : તોય પૂરા ના દેખાય. આવરણ રહે ને પાછા. ઘણા દોષ હોય. અમારે વિધિ કરતી વખતેય સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો થયા કરે ને, જે સામાને નુકસાન ન કરે એવા હોય પણ એ દોષ અમને થાય તે ખબર પડે. તરત અમારે એને સાફ કરવા પડે, ચાલે જ નહીં ને ! દેખાય એટલા તો સાફ કરવા જ પડે.

જોયા રોજના ત્રણ હજાર દોષો

૧૯૫૮માં તે દહાડે જ્ઞાન થયેલું ને, ત્યાર પછી દોષ તો મહીં અમુક ભરેલા જ હોય ને, તે દોષો બધા દેખાવા માંડેલા. તે પછી બધા દેખાઈ દેખાઈને જતા રહે. રોજના ત્રણ-ત્રણ હજાર દોષ દેખાતા’તા. પછી બધા જતા રહ્યા.

પણ અમારે કેવળજ્ઞાન શેનાથી અટક્યું છે? ત્યારે કહે, કાળનો હિસાબ ખરો. પણ કાળનો હિસાબ તો એમ માનો કે આપણે કાળેય અત્યારે ફેરવી આપીએ તો ? ત્યારે કહે, ના, દોષોય ખરા. નર્યો દોષોનો જ ભંડાર છે આ બધો. આ બધા ક્રોધ-માન-માયા-લોભ શેનાથી ઊભા થયા છે ? બધા દોષોથી જ ઊભા થયેલા છે.

હવે કેટલાક દોષ દેખાય છતાંય ન જતા રહે, એનું શું કારણ હોય છે કે એ દોષ ભારે હોય છે. એટલે ડુંગળીના પડ હોય છે ને, તે એક પણ દેખાયો એટલે એક પડ જાય જ. પછી બીજું પડ જાય પણ છેવટે બધા ખલાસ તો થાય ને ? એકે એક પડ દેખાયું એટલું જાય. હંમેશાં દોષનો નિયમ કેવો છે કે જે દોષ દેખાયો એ જાય, જયે જ છૂટકો. પોતાને નિષ્પક્ષપાતી રીતે દેખાયો કે આ દોષ છે, તેથી એને જયે જ છૂટકો છે. અને અમારાય એવી રીતે જ જતા રહેલા.

અમારી જાગૃતિ ‘ટોપ’ પરની હોય. તમને ખબરેય ના પડે, પણ તમારી જોડે બોલતા જ્યાં

(પા.૫)

અમારી ભૂલ થાય ત્યાં અમને તરત ખબર પડી જાય ને તરત તેને ધોઈ નાખીએ. એના માટે (પ્રતિક્રમણ રૂપી) યંત્ર મૂકેલું હોય છે, જેનાથી તરત જ ધોવાઈ જાય. અમે પોતે નિર્દોષ થયા છીએ ને આખા જગતને નિર્દોષ જ જોઈએ છીએ. છેલ્લા પ્રકારની જાગૃતિ કઈ કે જગતમાં કોઈ દોષિત જ ના દેખાય તે. અમારે જ્ઞાન પછી હજારો દોષો રોજના દેખાવા લાગેલા. જેમ દોષ દેખાતા જાય તેમ તેમ દોષ ઘટતા જાય ને જેમ દોષો ઘટે તેમ ‘જાગૃતિ’ વધતી જાય. હવે અમારે ફક્ત સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ દોષો રહ્યા છે, જેને અમે ‘જોઈએ’ છીએ અને ‘જાણીએ.’

જાગૃતિનો દીવો દેખાડે નિજદોષો

પ્રશ્નકર્તા : આપને કેવી જાગૃતિ હોય ?

દાદાશ્રી : દીવો સળગતો હોય એવું રાખીએ છીએ અમે. હેય ! લાઈટ ચાલ્યા કરતું હોય. નિરંતર દીવો સળગે પછી. રાત્રે-દહાડે તીર્થંકરોને જે નિજદોષ દેખાય, તે દોષ અમને દેખાય. દુનિયા તો ત્યાં પહોંચેય નહીં ક્યારેય પણ એવી જગ્યાના દોષ દેખાય, તીર્થંકરોને જે દેખાય તે !

પ્રશ્નકર્તા : બધાંયના ?

દાદાશ્રી : ના, ના, અમારા જ. બધાંને તો મારે શું કામ છે ? અમે તો બીજાના દોષ જ ના જોઈએ, કોઈના. દેખાય ખરાં પણ દોષિત જોઈએ નહીં. અમે તો નિર્દોષ જ જોઈએ. દોષ દેખાતાની સાથે જ નિર્દોષ જોઈએ.

સામાના દોષ બિલકુલેય દેખાય નહીં, પોતાના દોષ દેખવામાં બિલકુલ નવરો પડે જ નહીં, એનું નામ જાગૃતિ.

છેલ્લી લાઈટથી અમારું કાચું લાગે

પ્રશ્નકર્તા : પણ અમને તો તમારું બધું જ આદર્શ રૂપ જ દેખાય.

દાદાશ્રી : એવું લાગે, પણ હું જ્ઞાનરૂપે જોઉં, છેલ્લા ચશ્માથી જોઉં, એટલે છેલ્લી લાઈટથી આ બધું કાચું લાગે.

કેટલાક માણસો મને કહે છે કે ‘દાદા, તમારી જોડે બેસીને અમે ખાતાં શીખ્યા.’ હવે હું મારી જાતને જાણું ને કે મને જમતાં જ નથી આવડતું. જમતાનો ફોટો કેવો હોવો જોઈએ, કેવું ચારિત્ર હોવું જોઈએ એ અમને લક્ષમાં હોય જ.

સ્થૂળથી સૂક્ષ્મતમ ભૂલોની વ્યાખ્યા

જગત બે જાતની ભૂલ જોઈ શકે, એક સ્થૂળ અને એક સૂક્ષ્મ. સ્થૂળ ભૂલો બહારની પબ્લિક પણ જોઈ શકે અને સૂક્ષ્મ ભૂલો બુદ્ધિજીવીઓ જોઈ શકે. આ બે ભૂલો ‘જ્ઞાની પુરુષ’ પાસે ના હોય. પછી સૂક્ષ્મતર દોષો તે જ્ઞાનીઓને જ દેખાય અને અમે સૂક્ષ્મતમમાં બેઠા છીએ.

અમારામાં કયા દોષ હોય, જ્ઞાની પુરુષમાં ? જ્ઞાની પુરુષમાં દેખાય એવી સ્થૂળ ભૂલો ના હોય. આ દોષની તમને વ્યાખ્યા આપું.

સ્થૂળ ભૂલ એટલે શું ? મારી કંઈક ભૂલ થાય તો જે જાગ્રત માણસ હોય તે સમજી જાય કે આમણે કંઈક ભૂલ ખાધી. સ્થૂળ એટલે અહીં બધા માણસ બુદ્ધિ વાપર્યા વગર આમ ઈન્દ્રિયોથી સમજી જાય કે એમનો દોષ છે.

સૂક્ષ્મ ભૂલ એટલે કે અહીં પચીસ હજાર માણસો બેઠા હોય તો હું સમજી જાઉં કે દોષ થયો. પણ પેલા પચીસ હજારમાંથી માંડ પાંચેક જ સૂક્ષ્મ ભૂલને સમજી શકે. સૂક્ષ્મ દોષ તો બુદ્ધિથી પણ દેખાય. સૂક્ષ્મ દોષ એટલે બુદ્ધિપૂર્વક, આમાંથી બધાને ના સમજ પડે. કોઈ બુદ્ધિશાળી હોય ને તેને સમજાઈ જાય કે આમણે ભૂલ કરી.

જ્યારે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો એ જ્ઞાને કરીને જ દેખાય. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો મનુષ્યોને ના દેખાય. દેવોને અવધિજ્ઞાનથી જુએ

(પા.૬)

તો જ દેખાય. છતાં એ દોષો કોઈને નુકસાન કરતા નથી. કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના દે એવા અમારા દોષો હોય. જે અમને બાધક હોય. એટલે એવા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો અમારે રહેલા છે અને તેય આ કળિકાળની વિચિત્રતાને લીધે !

સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ દોષોના પાડે ફોડ

પ્રશ્નકર્તા : દાદા, હવે આપે સ્થૂળ દોષો, સૂક્ષ્મ દોષો, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો કીધા, તેમાં સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો કયા ?

દાદાશ્રી : સૂક્ષ્મતમ-સૂક્ષ્મતર દોષો એ છે તે કોઈને નુકસાન ના કરતા હોય, પોતાને ક્રોધ-માન-માયા-લોભ રહેતા હોય અને કોઈને નુકસાન ન કરે એવા ક્રોધ-માન-માયા-લોભ હોય, એટલી નબળાઈ હોય. એ કોઈનું નુકસાન ન કરે, પોતાનું નુકસાન કરે એ સૂક્ષ્મતર દોષો. અને સૂક્ષ્મતમ દોષો તો પોતાનેય નુકસાન ના કરે ને કોઈનેય નુકસાન ના કરે. ફક્ત સૂક્ષ્મતમ દોષોને લઈને એને આગળની દિશા થોડીક અટકી હોય તો નીકળી જાય.

પ્રશ્નકર્તા : કોઈ એક દાખલો આપો ને !

દાદાશ્રી : આ અમારી ચાર ડિગ્રી ખૂટે છે એ સૂક્ષ્મતમ દોષોને લઈને.

પ્રશ્નકર્તા : ફિઝિકલ દાખલો આપો ને કંઈક.

દાદાશ્રી : એ ના હોય દાખલા એના, હોય જ નહીંને સૂક્ષ્મતમ. મારી ચાર ડિગ્રી ખૂટે છે ને, એની જોડે સરખામણી કરવા જેવી કોઈ ચીજ ના હોય. કારણ કે સરખામણી કરવાની ચીજની બહાર નીકળ્યા અમે. બુદ્ધિની બહાર નીકળ્યા. બુદ્ધિની રેખા જ ઓળંગી.

ઉપયોગ ચૂક્યાના પ્રતિક્રમણ

મારેય પ્રતિક્રમણ કરવાના હોય. મારા જુદી જાતના ને તમારાય જુદી જાતના હોય. મારી ભૂલ તમને બુદ્ધિથી ના જડે એવી હોય. એટલે એ સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ હોય. તેના અમારે પ્રતિક્રમણ કરવા પડે. અમારે તો ઉપયોગ ચૂક્યા બદલનુંય પ્રતિક્રમણ કરવું પડે. ઉપયોગ ચૂક્યા તે અમારે તો પોષાય જ નહીં ને ! અમારે આ બધાં જોડે વાતોય કરવી પડે, સવાલોના જવાબોય આપવા પડે, છતાં અમારે અમારા ઉપયોગમાં જ રહેવાનું હોય.

જ્યાં સુધી અમારે સાહજિકતા હોય ત્યાં સુધી અમારે પ્રતિક્રમણ ના હોય. સાહજિકતામાં તમારેય પ્રતિક્રમણ કરવા ના પડે. સાહજિકતામાં ફેર પડ્યો કે પ્રતિક્રમણ કરવું પડે.

સૂક્ષ્મતા, જ્ઞાનીના પ્રતિક્રમણોની

પેશાબ કરવા ગયો ત્યાં એક કીડી તણાઈ ગઈ તો અમે પ્રતિક્રમણ કરીએ, ઉપયોગ ના ચૂકીએ. તણાઈ એ ‘ડિસ્ચાર્જ’ રૂપે છે પણ તે વખતે અપ્રતિક્રમણ દોષ કેમ થયો ? જાગૃતિ કેમ મંદ થઈ? તેનો દોષ લાગે.

ટાઈમે વિધિ કરવાની ભૂલી ગયા હોઈએ ને પછી યાદ આવે તો પ્રતિક્રમણ કરીને પછીથી કરીએ.

અમે બે જણને છૂટાં પાડીએ તેનોય દોષ બેસે, તેથી પ્રતિક્રમણ કરીએ.

પ્રશ્નકર્તા : તમે કર્તાભાવથી ના કરો તોય ?

દાદાશ્રી : ગમે તે ભાવથી કરે પણ સામાને દુઃખ થાય તેવું કર્યું એટલે પ્રતિક્રમણ કરવું પડે.

‘ડિસ્ચાર્જ’માં જે અતિક્રમણો થયેલા હોય છે તેના આપણે પ્રતિક્રમણો કરીએ છીએ. સામાને દુઃખ પહોંચાડે તેવા ‘ડિસ્ચાર્જ’ના પ્રતિક્રમણો કરવાના. અહીં મહાત્માઓનું કે દાદાનું સારું કર્યું તેના પ્રતિક્રમણ ના હોય, પણ બહાર કોઈનું સારું કર્યું તો તેનું પ્રતિક્રમણ કરવું પડે. કારણ કે ઉપયોગ ચૂક્યા તેનું પ્રતિક્રમણ કરવું પડે.

(પા.૭)

જગતમાં પોલ ચાલે નહીં

હું જ્ઞાની પુરુષ છું, તે મને તો, જ્ઞાની પુરુષને ત્યાગાત્યાગ ન સંભવે, તોય મારે પાણીનો બગાડ કરવો પડે છે. અમારે આ પગે આવું થયેલું તેથી પેલા (ઊભા) સંડાસમાં બેસવું પડે. પછી પાણી માટે પેલી સાંકળ ખેંચીએ, તે કેટલા ડાબડા પાણી જતું હશે? અને પાણીનો ત્રાસ છે, પાણી કીંમતી છે તેથી ? ના, પણ પાણીના જીવો કેટલા આમ અથડાઈ અથડાઈને વગર કામના માર્યા જાય ! અને જ્યાં એક-બે ડાબડાથી ચાલે એવું છે, ત્યાં આટલો બધો પાણીનો બગાડ કેમ કરાય ? જો કે હું તો જ્ઞાની પુરુષ છું, એટલે અમે તો આવી ભૂલ થાય કે તરત દવા નાખી (પ્રતિક્રમણ કરી) દઈએ, એટલે અમારે કેટલાય મહિનાઓ સુધી ચાલ્યા કરે. પણ છતાં દવા તો અમારે પણ નાખવી પડે. કારણ કે ત્યાં ચાલે નહીં, જ્ઞાની પુરુષ હોય કે ગમે તે હોય પણ કશું ચાલે નહીં. આ પોપાબાઈનું રાજ નથી, આ તો વીતરાગોનું રાજ છે, ચોવીસ તીર્થંકરોનું રાજ છે !

જ્યાં ઊંધું કર્યું, ત્યાં છતું કરવું

અમારામાં સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ દોષો રહ્યા હોય. લોકોનો હિસાબ ચૂકતે કરવાનો રહ્યો છે, ઋણાનુબંધ છે. જે હિસાબ આપણે ત્યારે ઊભો કરેલો. જેને ગાળ દીધી હોય, ત્યાં છ તે એ (ચોખ્ખું) કરવાનું છે. જ્યાં ઊંધું કર્યું હોય ત્યાં છતું કરી આવવાનું છે. છતું કર્યું હોય ત્યાં પદ્ધતસર કરવાનું છે બધું પૂરું. તમને સમજ પડી એ વાત કે ના સમજ પડી ?

પ્રશ્નકર્તા : પડી.

દાદાશ્રી : સૂક્ષ્મતર દોષ ને એવું બધું બોલતો હતો ખરો ને ? એ ના બોલું તો ના ચાલે આ લોકોની પાસે ?

પ્રશ્નકર્તા : જેમ છે તેમ કહેવાવાળા એટલે પછી...

દાદાશ્રી : લોકો એમ કહે છે કે તમારા દોષ કેવા હોય એ અમારે જાણવા છે પણ હું કહેતો હતો કે ભઈ, હજુ અમારે આટલા ગયા છે ને હજુ આટલા રહ્યા છે, તે બીજા હું જાણું છું. નહીં તો મને કેવળજ્ઞાન થાત. આ કપડાં પહેરું છું તેય દોષ જ છે, વીંટી પહેરું છું એય દોષ, એ બધા દોષો એ સૂક્ષ્મતર દોષો, બીજા કોઈને નુકસાન કરતા નથી ને સૂક્ષ્મતમ તો વળી એથીયે જુદા હોય પાછા. એ તો બહુ ઝીણા હોય.

પ્રશ્નકર્તા : સૂક્ષ્મતમ કેવા હોય ?

દાદાશ્રી : અરે ! સૂક્ષ્મતર તમે સમજો તોય બહુ થઈ ગયું ને ! સૂક્ષ્મતમની વાત શું કરવા કરો છો ?

પ્રશ્નકર્તા : નાછૂટકાની બધી વસ્તુ એ સૂક્ષ્મતર ? આ જમવા ગયા, ત્યારે તમે બોલેલાને કે મારે આ છૂટકાનું જમવાનું છે કે નાછૂટકાનું જમવાનું છે ?

દાદાશ્રી : હા, બરોબર... નાછૂટકે જમવું પડે છે આ, નહીં તો વળી જમવાનું હોતું હશે ?

નિર્જીવ અહંકાર પણ કાઢવો પડશે

પ્રશ્નકર્તા : દાદામાં થોડોક અહંકાર તો હોય ને ?

દાદાશ્રી : એ આ પટેલમાં, જે ચાર ડિગ્રી ઓછી છે ને, તે અહંકારેય પાછો કેવો ? નિર્જીવ અહંકાર, જીવતો નહીં. નિર્જીવ અહંકાર ડ્રામેટિક (નાયકીય) હોય. ડ્રામામાં ભર્તૃહરિ અંદરખાને જાણતો હોય કે ‘હું લક્ષ્મીચંદ છું’, એવું હું અંદરખાને જાણું છું કે ‘હું તો દાદા ભગવાન જ છું’ અને આ નિર્જીવ અહંકાર છે.

એ નિર્જીવ અહંકાર શું કરે ? ખમીસ પહેરે, જોડા પહેરે, અહીં મેલું થયેલું હોય તો કાઢી નખાવડાવે, ઉજળું પહેરાવડાવે, ખટપટો કરે.

(પા.૮)

‘આવજો ચંદુભાઈ, તમને જ્ઞાન આપું, હું તમને સમજણ પાડીશ.’ એ ખટપટ કહેવાય કે ના ખટપટ કહેવાય ? શેના હારુ ? ભગવાન ‘આવજો’ બોલતા હશે? એ તો વીતરાગ કહેવાય ! એ તો ‘આવજો ને જજો’ કશું બોલે નહીં અને ‘હું તમને મોક્ષ આપીશ’ એમ કહેલું ને! શા હારુ આ ખટપટ? એટલે અમે ખટપટિયા વીતરાગ ! આવી ખટપટો કરીએ ને વીતરાગ દશામાં રહીએ. એટલે આ ચાર ડિગ્રી અમારો અહંકાર રહ્યો છે, નિર્જીવ અહંકાર. એ ફરી સજીવન થાય નહીં. જે નાટકનો ભાગ છે ને, ‘એ. એમ. પટેલ’ નામનો પાઠ પૂરો થઈ રહ્યો છે.

પ્રશ્નકર્તા : દાદા, આપનામાં તો નિર્જીવ અહંકાર પણ ક્યાં છે ?

દાદાશ્રી : એ નથી, તે છતાંય જે હજુ છે, એ કાઢું છું.

પ્રશ્નકર્તા : એ કેવું ? ના સમજાયું.

દાદાશ્રી : એ હું સમજુ ને ! હું એમ ને એમ કંઈ કાચી માયા છું ? તમને લોકોને લાગે છે કોઈ ? કોઈ બનાવી જાય એવું લાગે છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તે કોઈનાથી અંજાય જાય એવું લાગે છે ?

પ્રશ્નકર્તા : દાદા, અંજાય જાય એ નથી જાણવું, અહંકાર કાઢવાનો છે એ અમારે આ જ જાણવું’તું.

દાદાશ્રી : શુદ્ધાત્મા તરીકે રહો જુદા અને ચંદુને કહીએ કે પગે લાગ. જ્યારે પેલા જ્ઞાનીઓ લાગે નહીં, ક્રમિક માર્ગના. અને ક્રમિકવાળા વાંધો ઉઠાવે. આપણે તો વાંધો નહીંને. આ છે તે નાગા સાધુઓને, બધાને પગે અડીને આમ કરીને પગે લાગીએ. તમે નથી જોયું ?

પ્રશ્નકર્તા : જોયું છે ને !

દાદાશ્રી : તે તમારા મનમાં જરા ખરાબ લાગે, પણ એ સમજો હજુ મારું કહેવાનું. એ જ અહંકાર છે. ના કરવું એનું નામ જ અહંકાર છે અને કરવું તેનું નામેય અહંકાર છે.

પ્રશ્નકર્તા : હા, તો આ તમારે કરવું એ આવ્યું ને ?

દાદાશ્રી : ત્યાં અમારું હોય છે. અમે કરીએ છીએ કે નથી કરતા, એ તમે જાણો નહીં.

પ્રશ્નકર્તા : દર્શન કરીએ છીએ કે નહીં, એ તમે નહીં જાણો. એ અમારે જાણવું છે ને, દાદા.

દાદાશ્રી : ના, એટલે અમે બધેય કરીએ છીએ કે અમુક જગ્યાએ થાય છે, એ તમારે જોયા કરવાનું.

પ્રશ્નકર્તા : હા, બધે નથી હોતું.

દાદાશ્રી : માટે જુઓ, એ તપાસ કરો ને ! હું જે નિર્જીવ અહંકાર કાઢવા માટેના આ શબ્દો બોલું છું ને, તેય અહંકાર છે. બોલો હવે ? એટલે આ બધા જ કાઢવા પડશે, તે કહું છું તેય અહંકાર છે. આ તેને ફરી, ફરી વઢ્યો તેય અહંકાર છે.

ટપકાં બાકી, તેથી રસ્તો પૂર્ણ ના થયો

અહંકાર બે પ્રકારના; એક ડિસ્ચાર્જ થતો (મડદાલ) અહંકાર, જે ભમરડા જેવો છે અને બીજો ચાર્જ થતો (જીવતો) અહંકાર, જે શૂરવીર જેવો છે. લડે હઉ, ઝઘડો કરે, બધું જ કરે. પેલાના તો હાથમાં કશુંય નહીં બિચારાના, જેમ ભમરડો ફરે. એટલે અહંકાર વગર તો દુનિયામાં કશું થાય જ નહીં.

પ્રશ્નકર્તા : આપને સહજ થયેલું હોય બધું ?

દાદાશ્રી : તોય કોઈ જગ્યાએ હાથ અડાડતાંની સાથે (ડિસ્ચાર્જ) અહંકાર ખલાસ થાય એટલે સહજ થાય. એ સહજ, તોય પણ આ કોઈ કોઈ જગ્યાએ

(પા.૯)

આ રહી ગયા હોય ટપકાં. કારણ કે રસ્તો પૂર્ણ થયો નથી ત્યાં સુધી અમુક ટપકાં રહે. ત્યારે જ પૂર્ણ ના થાય ને ! તેના માટે નહીં પણ જે ટપકાં રહી ગયા, તે સિવાય શું ? તો કહે, બધું સહજ છે. અને તમારેય અમુક અમુક સહજ થતું જાય, પણ પેલાં ટપકાં વધારે છે. એટલે તમને એમ જ લાગે કે રાતું જ દેખાય છે.

પ્રશ્નકર્તા : એને જ ચિતરામણ કહેવાય છેને ?

દાદાશ્રી : એ તો હિસાબ આપણે ચૂકવ્યો નથી. ચિતરામણ તો એવું છે ને, જેનો પ્રોજેક્ટ કરેલો હોય તે વસ્તુ ચિતરામણમાં આવે.

દર્શન કરી,કાઢ્યો અહંકાર

એટલે જ્યાં જ્યાં દાદા દર્શન કરે, ત્યાં જાણવું કે દાદાએ એમનામાં આ જાતનો અહંકાર હતો તે કાઢ્યો.

પ્રશ્નકર્તા : એ તો આજે તમે કહ્યું ત્યારે ખબર પડી, નહીં તો અમને કેવી રીતે ખબર પડે ? દાદામાં અહંકાર છે જ નહીં, એવું જ છે અમને.

દાદાશ્રી : એ નથી જ, એ તો હુંય જાણું છું, પણ જે છે...

પ્રશ્નકર્તા : એ અમે કંઈથી જાણીએ પણ...

દાદાશ્રી : અમે શું કહીએ છીએ વારેઘડીએ તે તમને યાદ નથી ? અમે લોકોને કહીએ છીએ કે ‘ભાઈ, અમારે દેખાય એવી બધી ભૂલો અમારી ગયેલી છે. પછી બુદ્ધિથી સમજાય એવી, એય ગયેલી છે. અને જે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો છે કે જે બીજાને નુકસાનકારક છે નહીં, એવી ભૂલો રહી છે.’ એવી...

પ્રશ્નકર્તા : બીજાને ખબર પડે એવુંય નથી એ.

દાદાશ્રી : એ બીજાને ખબર પડે એવી નથી. અને હવે એ ભૂલો છે છતાં એમને કહું છું, એ એમ જાણતા નથી કે આ શું કરે છે દાદા ? એ મહારાજ જોડે કરેલી ભૂલ, તે મેં ભૂલ પૂરી કરી નાખી. માતાજીના શા માટે દર્શન કરવા જાઉં છું હું ? આ બધા મહાત્માઓને શા હારુ તેડી જાઉં છું ? પહેલાં ભૂલો કરેલી તે ભૂલો માફ કરવા માટે ત્યાં તેડી જાઉં છું. તમને સમજ પડી ને ? દુનિયા જોડે શું કરવું પડશે છેવટે ?

પ્રશ્નકર્તા : બધી ભૂલો ભાંગીને ભૂલ વગરનું થવું પડશે.

દાદાશ્રી : તે અમે શું કરતા હઈશું ?

પ્રશ્નકર્તા : આ જ. હવે સમજાયું, દાદા.

દાદાશ્રી : સમજાયું ને ? જ્ઞાની થઈને નમસ્કાર કરવા સહેલી બાબત છે ? પહાડ ઉપરથી પડતું મેલું, પણ નમસ્કાર નહીં કરું, કહેશે.

પ્રશ્નકર્તા : દાદા, એ તો બોચાસણ ગયા ત્યારે આપે કહેવડાવ્યું હતું ને, ‘યોગીબાપાને નમસ્કાર કરજો.’

દાદાશ્રી : હા, બધાને મેં કહ્યું’તું, ‘નમસ્કાર કરજો.’

પ્રશ્નકર્તા : એ દાદા, અમે તો સત્તર વાર કે સો વાર કરીએ. એનો વાંધો નથી આવતો, નાના બાળકનેય કરવાનો વાંધો નથી પણ તમે કરો ને, ત્યારે મહીં આમ જરાક થાય કે આ શું હશે ?

દાદાશ્રી : નીરુબેનના મનમાં એમ કે આવડા મોટા આપણા દાદા ને તે બીજાને નમસ્કાર કરે તે આપણી આબરૂ જાય. તે ગયેલી જ છે ને, આપણી આબરૂ જ ક્યાં છે ? કે દહાડે હતી આપણી આબરૂ ?

પ્રશ્નકર્તા : ના ના, આબરૂની વાત નથી, આબરૂ તો ઓળખે તો આપણી આબરૂ જાય ને ! ઓળખનારો તો છે જ નહીં આપણને.

(પા.૧૦)

જાત્રામાં પગે લાગી, કર્યો હિસાબ ચૂકતે

દાદાશ્રી : આ અમે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ દોષો બોલીએ છીએ, એ તમે જાણો છો ને ? એ જે અમારા દોષો છે, જ્યાં જ્યાં હજુ કંઈક રહ્યા છે, તે સામાને નુકસાનકારક નથી તો તે અમે ઓગાળી નાખીએ છીએ.

બાકી નહીં તો જે આમ મોઢું પહોળું કરીને (પેલા સંત બોલતા હતા ને કે) ‘દાદા ભગવાન, દાદા ભગવાન !’ ત્યારે મેં કહ્યું, ‘હું તો લઘુતમ છું.’ ત્યારે એ કહે, ‘એ જ ગુરુતમ ! લઘુતમ એ જ ગુરુતમ !’

પ્રશ્નકર્તા : પણ દાદા, તમારી ઓળખાણ નહોતી પડી એમને.

દાદાશ્રી : આ ઓળખાણ શી રીતે પડે ? ઓળખાણ પૂરી તો તમને નથી પડી હજુ ! આ આમને નથી પડી હજુ ઓળખાણ !

પ્રશ્નકર્તા : હા, તે એવું કંઈક કરો કે અમને ઓળખાણ પડી જાય દાદા.

દાદાશ્રી : એ ના પડે ઓળખાણ ! તે પૂરી ઓળખાણ પડવા માટે તો કેટલી બધી (ઊંચી) દ્રષ્ટિ જોઈશે ! ઓળખવા એટલે એકદમ ઓળખાય એવું હોય તો પછી કામ શું બાકી રહ્યું ? અત્યારે જેટલી ઓળખાણ પડી એટલી તો છે જ તમારી પાસે, પણ હજુ ઓળખવાના બહુ બાકી છે !

પ્રશ્નકર્તા : વાળ જેટલાય નથી ઓળખ્યા ?

દાદાશ્રી : બહુ ઓળખ્યા છે (બીજા લોકો કરતાં તો) પણ હજુ ઓળખવાના બહુ બાકી છે.

પ્રશ્નકર્તા : પણ દાદા, તમારી ઓળખાણ પૂરી થાય એવી જ નથી. રોજ રોજ નવું નવું જ દેખાડ દેખાડ કરો છો ! કંઈથી અમે પૂરું કરી લઈએ ? આજે તમે આ નવી વાત કાઢી, કે જે અમને લક્ષમાં જ ના આવે.

દાદાશ્રી : હું નહોતો કહેતો કે અમારે સૂક્ષ્મતર ભૂલો ને સૂક્ષ્મતમ ભૂલો છે.

પ્રશ્નકર્તા : હા, પણ આનો તાળો મળવો જોઈએ ને, કે તે ઘડીએ બોલેલા ને આ પ્રસંગ...

દાદાશ્રી : ના, પણ તે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ શું હશે એવો વિચાર ના કર્યો તમે ?

પ્રશ્નકર્તા : વિચાર તો... પણ બેઠું નહોતું આ.

દાદાશ્રી : કેટલા વખત હું બોલેલો હોઈશ ?

પ્રશ્નકર્તા : હં... પાંચસો વાર, ઘણી વખત.

દાદાશ્રી : કે ભઈ અમારામાં આટલા દોષ ગયા છે ને બીજા છે આટલા. અને તે કોઈને નુકસાનકારક નથી. આ કોઈને ખબર પડે એવા નથી.

પ્રશ્નકર્તા : પછી અમને કંઈથી ખબર પડે ?

દાદાશ્રી : હવે એ દોષો કાઢવા માટે અમારે આ બધું ફરવું પડે છે.

પ્રશ્નકર્તા : આ પૉઈન્ટ ઉપર આ ભાઈએ કહેલું કે આ બધા સમ્મેતશિખરજી જાય છે, તેઓ ભાવબીજ નાખવા જાય છે.

દાદાશ્રી : એ તો એમની સમજણ પ્રમાણે કહે. પણ કેટલાકને ‘નથી કરવું’ એ ભાવ થયો એ જ અહંકાર છે.

પ્રશ્નકર્તા : એ ભાવ થયો તે જ અહંકાર !

દાદાશ્રી : જે માણસો રાજી થયા નથી, ‘નથી નમસ્કાર કરવા’ એવો ભાવ થયો, તે એને શું કહેવું ? ખૂંચ્યું કેમ ?

પ્રશ્નકર્તા : અહંકાર છે.

દાદાશ્રી : એ અહંકાર છે. અમે તો નાના બાળકને આમ પગે લાગીએ.

(પા.૧૧)

પ્રશ્નકર્તા : ના પણ દાદા, પગે લાગવાનો ભાવ થયો અને પગે લાગ્યા એ અહંકાર નહીં ?

દાદાશ્રી : એ અહંકાર છૂટ્યો છે કે અહંકાર વળગ્યો છે, એ તમને શું ખબર પડે ?

પ્રશ્નકર્તા : આપની બાબત તો બરાબર છે, પણ બીજા કોઈને ? આપ તો છોડો જ, બાંધો તો નહીં.

દાદાશ્રી : આ અમે અહીં જમવા બેસીએ છીએ તે અમારો હિસાબ ચૂકતે કરીએ છીએ. અમે અહીં કોઈ જગ્યાએ દેવું કરતા નથી. એટલે પગે લાગીએ છીએ, પગે લાગીએ તેય હિસાબ ચૂકતે કરીએ છીએ. અમે આ માઉન્ટ આબુ ગયા તેય હિસાબ ચૂકતે કરીએ છીએ. બધો હિસાબ ચૂકતે કરીએ છીએ. હવે એટલો જો તમે હિસાબ કાઢો તો તમે ચડી જશો.

પ્રશ્નકર્તા : તો તો બરાબર છે, જેની જોડે હિસાબ હોય ત્યાં જ તમારે પગે લાગવાનું છે.

દાદાશ્રી : ખરા-ખોટા હિસાબ બંધાયેલા હોય ને, એ બધા પૂરા કરવાના. નહીં તો વળી જ્ઞાનીઓ કોઈકને પગે લાગે ?

પ્રશ્નકર્તા : હા, એ જ છે ને !

દાદાશ્રી : આખી દુનિયાના જ્ઞાનીઓને ખોળી લાવો, કોઈ કોઈને પગે લાગે નહીં.

પ્રશ્નકર્તા : કોઈ ના લાગે. બાવો બાવાને નથી લાગતો ને !

દાદાશ્રી : બાવો બાવાને ના લાગે. કારણ કે અહંકાર છે.

દુનિયામાં આ એક જ મૂર્તિ છે કે જેના દર્શન કરવા જેવા છે. સમજીને દર્શન કરી જાય તો કલ્યાણ થઈ જાય ! ચૌદ લોકનો નાથ અહીં પ્રગટ થયો છે, આ સિવાય બીજી જગ્યાએ નથી એવું જો સમજીને કરી જાય તો કલ્યાણ થઈ જાય ! પણ જેને સમજણ ના પડે એનું જશે. સમજણ પડે તે કમાશે. અમારે એવું કંઈ નથી કે તમે સમજો જ. અને વખતે ના સમજો એવુંયે નથી. સમજો ને કમાવ. અમે શું કહીએ છીએ ?

પ્રશ્નકર્તા : સમજો ને કમાવ.

દાદાશ્રી : આ તો અજાયબી છે, દુનિયાનું અગિયારમું આશ્ચર્ય છે ! બીજાને પગે લાગીએ છીએ ને એ આશ્ચર્ય ના કહેવાય ?

અમારા પ્રતિક્રમણ, દોષ થતાં પૂર્વે

પ્રશ્નકર્તા : મને તો આપની એક વાત ગમેલી, આપ બોલેલા કે અમારા પ્રતિક્રમણ દોષ થતા પહેલા થઈ જાય છે.

દાદાશ્રી : હા, આ પ્રતિક્રમણ ‘શૂટ ઑન સાઈટ’ (તુર્ત જ) થવાના. દોષ થતા પહેલા ચાલુ જ થઈ જાય, એની મેળે. આપણને ખબરેય ના પડે કે ક્યાંથી ઊભું થયું ! કારણ કે એ જાગૃતિનું ફળ છે. અને સંપૂર્ણ જાગૃતિ એનું નામ કેવળજ્ઞાન. બીજું શું ? જાગૃતિ જ મુખ્ય વસ્તુ છે.

અમે હમણાં આ સંઘપતિનું અતિક્રમણ કર્યું, એનું પ્રતિક્રમણ અમારે થઈ હઉ ગયું. અમારું પ્રતિક્રમણ જોડે જોડે જ થાય અને બોલીએય ખરાં અને પ્રતિકમણ કરીએય ખરા. બોલીએ નહીં તો ગાડું ચાલે નહીં.

પ્રશ્નકર્તા : દાદા, અમારેય ઘણી વખત એવું બને છે, કે બોલતાં હોઈએ અને પ્રતિક્રમણ થતું હોય પણ તમે જે રીતે કરો છો ને અમે કરીએ છીએ, એમાં અમને ફરક લાગે છે.

દાદાશ્રી : એ તમારો ને અમારો તો કેવો ફેર ? ધોળા વાળ ને કાળા વાળ, એકદમ સુંવાળા !

પ્રશ્નકર્તા : તમે કહો કે તમે પ્રતિક્રમણ કેવી રીતના કરો છો?

(પા.૧૨)

દાદાશ્રી : એની રીત ના જડે, બળ્યું ! જ્ઞાન થયા પછી, બુદ્ધિ જતી રહ્યા પછી, એ આવે ત્યાં સુધી એ રીત ખોળવીય નહીં. આપણે આપણી મેળે ચઢવું. જેટલું ચઢાય એટલું સાચું.

પ્રશ્નકર્તા : અમારે ખોળવી નથી, જાણવી જ છે, દાદા.

દાદાશ્રી : ના, પણ એ રીત જ ના જડે. ચોખ્ખું થયું, ‘ક્લિઅર’ જ હોય, ત્યાં બીજું શું કરવાનું હોય ? એક બાજુ ભૂલ થાય ને એક બાજુ ધોવાતી જાય. જ્યાં બીજો કોઈ ડખો હોય જ નહીં. આ બધું ‘અન ક્લિઅર’, બધા ઢગલેઢગલા માટીના પડ્યા હોય ને ઢેખાળા પડ્યા હોય એ ચાલે નહીં ને ! છતાં રસ્તા પર ધૂળ દેખાવા માંડી એટલે આપણે સમજીએ કે હવે પહોંચવાના છીએ. તમને પોતાની ભૂલ દેખાય છે પછી વાંધો શો છે ?

પ્રશ્નકર્તા : ના, આ તો જાણવા પૂછ્યું.

દાદાશ્રી : ભૂલ દેખાય ત્યાં સુધી જાણવું કે આપણે રાગે પડી ગયું છે.

ભાદરણવાળા આવે ત્યારે હું કહું કે તારા કાકા તો આવા હતા.

પ્રશ્નકર્તા : આપની વાત જુદી છે.

દાદાશ્રી : ના, તેનેય અમારે ગમે તેવું જુદું હોય તો પણ અમારે એના પ્રતિક્રમણ કરવા પડે. એક અક્ષરેય છોડાય નહીં. કારણ કે એ ભગવાન કહેવાય. તમે શું કહો છો ? નિંદા કરવાની બંધ કરી દેવી જોઈએ ?

પ્રશ્નકર્તા : જો જાગૃતિ હોય તો નિંદા કરે નહીં.

દાદાશ્રી : જાગૃતિ હોય, પોતે આમ જાગતો હોય અને આ બોલાતુંય હોય એક બાજુ, પોતાને એમ લાગતું હોય કે આ ખોટું બોલી રહ્યો છું, એમેય જાણતો હોય.

પ્રશ્નકર્તા : એ તો જ્ઞાની પુરુષની વાત થઈ.

દાદાશ્રી : ના, તમારે હઉ એવું રહે ને !

પ્રશ્નકર્તા : એવું થાય છે કે જાગૃતિ હોય, છતાં નિંદા કે પેલું જે કંઈ કરતા હોય, એ બન્ને ભેગું થતું હોય છે. અને તે વખતે એનું પ્રતિક્રમણ થઈ જાય.

‘કેવળ દર્શન’ દેખાડે ભૂલ

દાદાશ્રી : એટલે આ રીસર્ચ તેનું મૂકેલું છે. એવું જોઈએ ને, ઉપર ? જેટલું તમે મારી વાણીનું રીસર્ચ કરો, એના કરતાં હું વધારે કરું. કારણ કે મારી જાગૃતિ સંપૂર્ણ હોય. મારી જાગૃતિ એમાં જ હોય ને ! આ ટેપરેકર્ડ ક્યાં ક્યાં ભૂલવાળી છે, એટલું અમારે જોવાનું. જ્ઞાનમાં ભૂલ ના હોય. જ્ઞાનમાં એક્યુરેટ ! આ વ્યવહારમાં થોડી ભૂલ થાય. વ્યવહારની વાતમાં ભૂલો થાય વખતે અમારી. આ સાંસારિક-વ્યાવહારિક બાબતનું જો પૂછેલું હોય ને, તે મહીં ભૂલ નીકળે છે, તેની અમને ખબર પડી જાય. પણ આમાં આ આત્માની બાબતમાં ભૂલ નહીં. વાસ્તવિકતામાં ભૂલ ના હોય અમારી.

અમારું જ્ઞાન અવિરોધાભાસ હોય અને વાણી (સંપૂર્ણ) સ્યાદ્વાદ ના હોય. કોઈ ઝપટમાં આવી જાય એમાં. અને તીર્થંકરોની વાણીમાં કોઈ ઝપટમાં ના આવે. એ તો સંપૂર્ણ સ્યાદ્વાદ ! ઝપટમાં લીધા સિવાય બોલે એ. વાત તો એ એવી જ બોલે, પણ ઝપટમાં લીધા સિવાય.

પ્રશ્નકર્તા : આપનું આ સ્યાદ્વાદ કોઈ ઝપટમાં આવી જાય છે તેથી સંપૂર્ણ ના કહ્યું, તોય પણ એ દર્શન તો સંપૂર્ણ છેને કે ભૂલ સ્યાદ્વાદમાં થઈ ?

દાદાશ્રી : હા, દર્શન તો પૂરેપૂરું, દર્શનનો વાંધો નહીં. જ્ઞાનેય ખરું, પણ જ્ઞાનમાં ચાર ડિગ્રી ઓછું. એટલે આ (સંપૂર્ણ) સ્યાદ્વાદ ના હોય. અમારે દર્શનમાં બધું તરત જ આવી જાય. ભૂલ તરત ખબર પડે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલનીય તરત

(પા.૧૩)

ખબર પડે. જે ભૂલો તો હજુ તમને જોતાં ઘણો ટાઈમ લાગશે. તમો તો સ્થૂળ ભૂલો જુઓ છો. મોટી મોટી દેખાય એવી જ ભૂલો જુઓ છો. તેથી અમે કહીએ છીએ ને કે અમારો દોષ હોય, છતાંય કોઈને આ અમારો દોષ દેખાય નહીં, અમને પોતાને દેખાય.

પ્રશ્નકર્તા : સ્યાદ્વાદમાં ભૂલ થઈ એવા દોષો બધા દેખાય ?

દાદાશ્રી : સ્યાદ્વાદ-અનેકાંતમાં ભૂલ થઈ એવા દોષો બધા દેખાય. હવે અમારું સ્યાદ્વાદ સંપૂર્ણ થઈ રહ્યું છે. સ્યાદ્વાદ પૂરું થઈ રહે એટલે કેવળજ્ઞાન પૂરું થઈ જાય. દર્શન છે તેથી તો ખબર પડે કે આ ભૂલ છે. ‘ફૂલ’ (પૂર્ણ) દર્શન છે, તેથી બધાને કહ્યું ને કે કેવળદર્શન આપું છું.

અમારે પ્રતિક્રમણ કરવું પડે. અમારે મોઢે નીકળ્યા કરે છે. જુઓ ને, આપણું એટલું ફરજિયાત છે ! કોઈ ફેરો આચાર્યનું બોલાતું હશે! બાકી કોઈનુંય ના બોલાય. આ દુનિયામાં બધાય નિર્દોષ છે, એવું જાણીએ છીએ. પણ કોઈનું બોલાય?

પ્રશ્નકર્તા : ના બોલાય.

દાદાશ્રી : એ જે વાણી નીકળે છે ને, એની પાછળ તરત જ પાછું આના પ્રતિક્રમણ અમારા ચાલ્યા કરે. એય જુઓ ને, કેવી દુનિયા છે!

વાણી બોલે એની ઉપર જ અભિપ્રાય જુદો. કેવું આ જગત છે! એ વાણી બોલે છે, તેની ઉપર અભિપ્રાય કેવો છે કે આવું નથી આ, આ ખોટું છે, આવું ન્હોય. પણ આ દુનિયા કેવી ચાલે છે, એ એની સાથે જાગૃતિ કરીને ચાલે.

બોલીએ ને સાથે ને સાથે એ જાગૃતિ હોય કે આવું ન હોવું જોઈએ. કારણ કે અમે આખું જગત નિર્દોષ જોયું છે. ફક્ત વર્તનમાં નથી આવ્યું. તે વર્તનમાં કેમ નથી આવ્યું ? તો આ વાણી છે તે એ ડખલ કરે છે.

દાદા કદી ખોડ કાઢે નહીં

સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ અમારી દ્રષ્ટિની બહારથી જાય નહીં. સૂક્ષ્મમાં સૂક્ષ્મ, અતિ અતિ સૂક્ષ્મ દોષની અમને તરત જ ખબર પડી જાય ! તમને કોઈને ખબર ના પડે કે મને દોષ થયો છે. કારણ કે એ દોષો સ્થૂળ નથી.

પ્રશ્નકર્તા : તમને અમારા પણ દોષ દેખાય ?

દાદાશ્રી : દેખાય બધા દોષો, પણ અમારી દોષ ભણી દ્રષ્ટિ ના હોય. અમને તરત જ તેની ખબર પડી જાય, પણ અમારી તો તમારા શુદ્ધાત્મા ભણી જ દ્રષ્ટિ હોય. અમારી તમારા ઉદયકર્મ ભણી દ્રષ્ટિ ના હોય. બધાના દોષોની અમને ખબર પડી જાય. દોષ દેખાય છતાં અમને મહીં એની અસર થાય નહીં. તેથી જ કવિએ કહ્યું છે ને, ‘મા કદી ખોડ કાઢે નહીં. દાદાનેય દોષ કોઈના દેખાય નહીં!’

પોતાના દોષ જોવામાં સુપ્રીમ કોર્ટવાળોય પહોંચે નહીં, ત્યાં તો પહોંચે જ નહીં જજમેન્ટ (ચુકાદો). ત્યાં તો પોતાનો આટલો દોષ જોઈ શકે નહીં. આ તો ગાડાંના ગાડાં દોષ જ્યાં કરે છે. આ તો સ્થૂળ, જાડું ખાતું, એટલે દોષો દેખાતા નથી. અને આટલો સહેજ અમથો વાળ જેટલો દોષ થાય ને, તરત ખબર પડી જાય કે આ દોષ થયો. એટલે એ કેવી કોર્ટ હશે અંદર ? એ જજમેન્ટ કેવું? છતાંય કોઈ જોડે મતભેદ નહીં. ગુનેગાર જોડેય મતભેદ નહીં. દેખાય ખરો ગુનેગાર, છતાં મતભેદ નહીં. કારણ કે ખરી રીતે એ ગુનેગાર છે જ નહીં. એ તો ‘ફોરેન’માં ગુનેગાર છે ને આપણે તો ‘હોમ’ સાથે ભાંજગડ છે. એટલે આપણે મતભેદ હોય નહીં ને !

અમે જાણીએ કે આ પ્રમાણે નિર્બળતા હોય જ. એટલે અમારે સહજ ક્ષમા હોય. એટલે અમારે કોઈને વઢવું ના પડે. બહુ મોટા દોષમાં પડી જાય એવું લાગતું હોય તો અમે એને બોલાવીને બે શબ્દ કહીએ. અહીંથી લપસી પડે એવું લાગે, એ ‘સ્લીપ’

(પા.૧૪)

થાય એવું હોય તો જ કહીએ. અમે જાણીએ કે આજે નહીં જાગે તો કાલે જાગશે. કારણ કે જાગૃતિનો માર્ગ છે આ ! નિરંતર ‘એલર્ટનેસ’ (જાગૃતિ)નો માર્ગ છે આ !

જગત કલ્યાણ કરવાનો રાગ

આ કાળમાં સંપૂર્ણ વીતરાગ ના હોય. અમે વીતરાગ છીએ પણ સંપૂર્ણ નથી. અમે જગતના તમામ જીવો જોડે વીતરાગ છીએ, ફક્ત અમારા જગત કલ્યાણ કરવાના કર્મ જોડે અમારે રાગ રહે છે. જગત કલ્યાણ કરવાની ખટપટ માટેનો અમને થોડો રાગ રહી ગયો છે. એ રાગ પણ કર્મો ખપાવવા પૂરતો જ છે. બાકી ‘અમને’ તો અમારો મોક્ષ નિરંતર વર્ત્યા જ કરે છે.

એટલે નીરુબેનને કંઈક કહીએ, તે ઘડીએ રાજીપો જતો ના રહે અમારો. બીજાને એવું અવળું સમજાય. કારણ કે એની જોવાની દ્રષ્ટિ બરોબર નહીં ને !

એવું છે, બીજા જોડે અમે વઢીએ ને, તે ઘડીએ અમે ખુશીથી એની જોડે વાત કરીએ પણ પછી મહીં ઓછું થઈ જાય. એને એમ લાગે કે મારી ઉપર તો દાદા ખુશ છે ! કેટલા બધા સમભાવી છે ! (નીરુબેનને) તમારી પર સમભાવ રાખીએ નહીં. એ રાખીએ તો પછી તમારા પરનો એ રાજીપો મહીં ઓછો થઈ ગયો કહેવાય.

પ્રશ્નકર્તા : એ સમજાય છે, દાદા.

દાદાશ્રી : પેલા બીજા જોડે સંપૂર્ણ વીતરાગ હોઈએ. તમારી (નીરુબેન) જોડે સંપૂર્ણ વીતરાગ ના હોઈએ. બીજે વીતરાગ હોઈએ, એટલે પછી ત્યાં એનામાં (એના માટે) અમારો પ્રેમ ઘટી ગયો ને વીતરાગ થતા ગયા. અને તમને વઢીએ એટલે અમારો પ્રેમ છે. તમારી જોડે વીતરાગ થયા નથી. વીતરાગ તમારી જોડે ના થયા એ, બસ. તમને સમજાયું છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એ પછી આગળ વધીએ. અત્યારે ના સમજાય તો પછી સમજણ પડશે એ.

જેને કશું જોઈએ નહીં, વગર કામની કાંઈ ભાંજગડ નહીં, એ વીતરાગ જ હોય ને ! લોકોનું કલ્યાણ કરવાની ભાવના રાત-દહાડો ! પોતાના શરીરની કાળજી નથી. આપણા મહાત્માઓનું કેવી રીતે સારું થાય, કેવી રીતે આગળ વધે, એવી કાળજી છે ને !

પૂર્ણ થઈ ગયા પછી કંઈ પુરુષાર્થ નથી. પછી સહજભાવ તદ્દન. અને પુરુષાર્થ શું છે ? જ્ઞાન હોવા છતાં અસહજ !

પ્રશ્નકર્તા : જ્ઞાન હોવા છતાં અસહજ ?

દાદાશ્રી : અસહજ.

પ્રશ્નકર્તા : એ જ્ઞાની પુરુષને એનો બંધ પડે? એ બંધ ભોગવવો પડે?

દાદાશ્રી : હા, સામાના કલ્યાણ માટે. ફળ તો આવે જ ને એનું. પણ એ ફળ બહુ ઊંચી જાતનું આવે. એ જ્ઞાનાવરણ ખસેડે એવું ફળ આવે. થોડું બાકી રહ્યું હોય જે ચાર ડિગ્રી, તે પછી બે ડિગ્રી એ ખસેડે, બીજી એક ખસેડે. એટલે આ બધું જ્ઞાન આપવાનું એ તો પુરુષાર્થ છે. એ પ્રકૃતિ નથી, એ પુરુષાર્થ છે. એટલે ઘણો ખરો પુરુષાર્થ જ અમારો હોય.

‘અમે’ ક્યાં છીએ, એ મને સમજાય

અમને એ (સૂક્ષ્મતર-સૂક્ષ્મતમ) દોષ દેખાયા વગર રહે જ નહીં. એને બહાર તમે જોવા જાવ તો કહે શું કે શી રીતે આ દોષ હોય ? આને દોષ ગણાય કેમ કરીને ? જમતી વખતે દોષ દેખાય ને કે આ દોષ કર્યો, આ દોષ કર્યો ! દોષ એટલે પુદ્ગલના પણ મૂળ માલિક તો આપણે, જવાબદાર

(પા.૧૫)

તો આપણે જ ને ! ટાઈટલ તો આપણું જ હતું ને પહેલાં, અત્યારે ટાઈટલ આપી દીધું. પણ એ કંઈ વકીલો છોડે કે ? કાયદા ખોળી કાઢે ને?

પ્રશ્નકર્તા : માલિકીપણું છૂટી ગયું છે એવું કહો છો, પછી દોષ આપણા કેમ કહેવાય ? પુદ્ગલના દોષને આપણે શું લેવાદેવા ?

દાદાશ્રી : આપણા કહેવાય નહીં પણ જવાબદાર તો છો જ.

પ્રશ્નકર્તા : એ તો આપને માટે વાત છે.

દાદાશ્રી : એ તો દોષ અમને દેખાય છે, તે અમને સમજાય છે ને ! ઓહોહો ! ભગવાનને કેટલી શક્તિ ઉત્પન્ન થઈ છે, કે હજુ અમારામાં એમને દોષ દેખાય છે ! એ અમને સાચા લાગે છે પાછા. તે ‘અમે’ ક્યાં છીએ, ‘એ’ ક્યાં છે, એ મને સમજાય. બીજું તો શું વાંધો ? આવા કંઈ સંસારી દોષ થયા, એવા નથી.

પ્રશ્નકર્તા : બહુ સૂક્ષ્મ હોય એ દોષો ?

દાદાશ્રી : સૂક્ષ્માતિસૂક્ષ્મ. સૂક્ષ્મતમ જેને કહેવામાં આવે છે તે. એટલે મને એમ સમજાય છે ને કે ઓહોહો ! આ જ્ઞાની ક્યાં છે ! અને આ ભગવાન ક્યાં છે! ના સમજાય ?

પ્રશ્નકર્તા : સમજાય.

દાદાશ્રી : તેથી હું કહી દઉં છું ને, તે આમ કરીને... ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો !’

હવે સાચા ભગવાન પકડ્યા. મેં તમને દેખાડ્યા. હજુ આખા વર્લ્ડને દેખાડીશ, સાચા ભગવાન દુનિયામાં છે કે નહીં તે. લોકોને તો વિશ્વાસ જ નથી કે ભગવાન છે કે નહીં તે, આત્મા છે કે નહીં તે. પણ વિશ્વાસ નથી તેમને દેખાયા ! આત્મા છે એવો તો વિશ્વાસ બેસી ગયો લોકોને.

ભગવાન નથી અમે

આ સંસાર એટલે શું છે ? ડેવલપમેન્ટનો પ્રવાહ છે એક જાતનો. એટલે એ પ્રવાહ એવો ચાલ્યા કરે છે. તેમાં શૂન્યતાથી માંડી અને ડેવલપમેન્ટ વધતું જ જાય છે. એ ડેવલપમેન્ટ શું થાય છે ? ત્યારે કહે, આત્મા તો મૂળ જગ્યાએ ઊભો છે, પણ આ વ્યવહાર આત્મા એટલો બધો ડેવલપ થતો જાય છે કે મહાવીર ભગવાન થયા, એ પુદ્ગલ ભગવાન થયું. એ માન્યામાં આવે, પુદ્ગલ ભગવાન થયું ?

પ્રશ્નકર્તા : હા, થયું જ ને ! થાય જ છે ને, જોવાય છે.

દાદાશ્રી : અમારું પુદ્ગલ ભગવાન પદ પુરું દેખાડે એવું નથી એટલે અમે ના કહીએ છીએ. ભગવાન નથી અમે. પણ આ પૂરું દેખાડે એવું નથી એનો શું અર્થ ? આવો ચંદુભાઈ, આમને આમ બોલાવીએ એ બધું શું છે? ભગવાનના લક્ષણ છે આ ? બીજું અમે કો’ક ફેરો ભારેય શબ્દ બોલી જઈએ. અમને પોતાનેય સમજાય કે આ ભૂલ થઈ રહી છે. એ પૂરી રીતે સમજાય, એક વાળ જેટલું એવું નથી જતું કે જે અમને અમારી ભૂલ ન દેખાય. ભૂલ થાય પણ તરત ખબર પડી જાય. પણ હજી એ ડેવલપમેન્ટ કાચું, ભગવાન થવા માટેનું. એટલે અમે ના કહીએ. ભગવાન થવું એટલે બધા આચાર-વિચાર, બધી હરેક ક્રિયા ભગવાન જેવી જ લાગે. એ શું થઈ ગયું? આત્મા તો આત્મા જ છે, એ દેહ ભગવાન થયો, એનું નામ જ ડેવલપમેન્ટ. અત્યારે તમે આટલા ડેવલપમેન્ટ સુધી આવ્યા છો, હવે દેહ ભગવાન થાય એવું ડેવલપમેન્ટ બાકી રહ્યું. એ લોકોનું (બધા મહાત્માઓનું) એવું જ થઈ રહ્યું છે. એમાંથી કેટલાક ઉતરીય જાય, સંજોગો અવળા બાઝે તો ! અમે રોજ અમારું જોઈએ કે એક અક્ષરેય કોઈના માટે વિરોધ ના હોય અમને. બિલકુલેય ના ફાવતું હોય, ગમે તે અવળું બોલે તોય પણ એના માટે વિરોધ ના હોય.

(પા.૧૬)

મહીંથી ભગવાન દેખાડે દોષો

મારી જે સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ભૂલ હોય, જે કેવળજ્ઞાનને રોકતી હોય, કેવળજ્ઞાનને આંતરે એવી ભૂલ હોય, તે ભૂલ ‘ભગવાન’ ‘મને’ દેખાડે. ત્યારે ‘હું’ જાણું ને, કે ‘મારો ઉપરી છે આ.’ એવી ના ખબર પડે ? આપણી ભૂલ દેખાડે એ ભગવાન ઉપરી ખરો કે નહીં ?

પ્રશ્નકર્તા : હા, બરાબર છે.

દાદાશ્રી : તેથી અમે કહીએ છીએ ને કે, આ ભૂલ જે અમને દેખાડે છે એ ચૌદ લોકનો નાથ છે. એ ચૌદ લોકના નાથના દર્શન કરો ! ભૂલ દેખાડનાર કોણ છે ? ચૌદ લોકનો નાથ !

એ દાદા ભગવાન તો મેં જોયેલા છે, સંપૂર્ણ દશામાં છે અંદર. એની હું ગેરેન્ટી આપું છું. હું જ એમને ભજુ છું ને ! અને તમનેય કહું છું કે ‘ભઈ, તમે દર્શન કરી જાવ.’ દાદા ભગવાન ૩૬૦ ડિગ્રી ને મારે ૩૫૬ ડિગ્રી છે. એટલે અમે બે જુદા છીએ, એ પુરવાર થઈ ગયું કે નહીં ?

પ્રશ્નકર્તા : હાસ્તો ને !

દાદાશ્રી : અમે બે જુદા છીએ. મહીં પ્રગટ થયેલા છે એ દાદા ભગવાન છે. એ સંપૂર્ણ પ્રગટ થઈ ગયા છે, ઝળહળ જ્યોતિ સ્વરૂપ !

૩૫૬ ડિગ્રી ને ૩૬૦ ડિગ્રીમાં શું ફેર ?

પ્રશ્નકર્તા : હવે દાદા જે કહે છે ત્રણસો છપ્પન ડિગ્રી ને ત્રણસો સાંઈઠ ડિગ્રીમાં ફરક ક્યાં એ સમજાવો.

દાદાશ્રી : અમારું અંશ કેવળજ્ઞાન છે અને ભગવાનનું સર્વાંશ કેવળજ્ઞાન છે.

પ્રશ્નકર્તા : એ બન્નેનો તફાવત સમજાવો જરા, અંશ કેવળજ્ઞાન અને સંપૂર્ણ કેવળજ્ઞાન.

દાદાશ્રી : તીર્થંકરોને કેવળજ્ઞાનના બધા અંશોથી કેવળજ્ઞાન થયેલું હોય અને જ્ઞાનીઓને અમુક અંશોથી, બીજા અંશો બાકી રહેલા હોય.

૩૬૦ ડિગ્રીએ સંપૂર્ણ નિર્દોષ દ્રષ્ટિ

પ્રશ્નકર્તા : તીર્થંકરોની ત્રણસોને સાંઠ ડિગ્રી અને આપની ત્રણસો છપ્પન ડિગ્રીની, તે ભેદ સમજાવશો.

દાદાશ્રી : ત્રણસો સાંઠવાળા છે તે આવું બોલે નહીં, કે હેંડો, તમને મોક્ષ આપું. અને જો હું તો ખટપટ કરું છું ને ! હેંડો, મોક્ષ આપું. ઓહોહો, મોટા મોક્ષ આપવાવાળા આવ્યા ! સંડાસ નથી થતું ત્યારે જુલાબ લેવો પડે છે, ને મોટા મોક્ષ આપવાવાળા આવ્યા ! આ તો એવું છે ને, એ કશું બોલે નહીં, એ વીતરાગ. અને અમે ખટપટિયા વીતરાગ. એ ખટપટ કરીએ, તે શા હારુ? શું પેટમાં દુઃખે છે તે ખટપટ કરો છો ?

પ્રશ્નકર્તા : બીજાના માટે.

દાદાશ્રી : મનમાં એમ ભાવ છે કે જેવું હું સુખ પામ્યો એવું બધા પામો. બીજું કંઈ જોઈતું નથી, દુનિયામાં કોઈ ચીજ જોઈતી નથી. પણ એય ભાવ છે ને ! ભાવ છે ત્યાં સુધી એ ડિગ્રી ઓછી. કંઈ પણ ભાવ છે ત્યાં સુધી વીતરાગ સંપૂર્ણ નહીં. એટલે ચાર ડિગ્રી અમારી ઓછી છે. અને પેલા તો કશું બોલે નહીં. ઊંધામાં ઊંધું થતું હોય તોય એ જુએ કે આ ઊંધું થઈ રહ્યું છે, તોય ના બોલે. અક્ષરેય બોલે નહીં, વીતરાગ ! આપણને કામ લાગે ખટપટિયા !

પ્રશ્નકર્તા : દાદા સત્તાવન, અઠ્ઠાવન ને ઓગણસાંઈઠનું શું પછી?

દાદાશ્રી : એ તો ડિગ્રી પછી વધતી હોય ને, એ દશા બહુ ઓર ઊંચી હોય ! એ દશા ઘણી ઊંચી હોય.

પ્રશ્નકર્તા : અમને કંઈક જરા ઉતરે એવું કહો ને ?

(પા.૧૭)

દાદાશ્રી : એ જેમ જેમ આવશે ને, ત્યારે સમજાશે.

પ્રશ્નકર્તા : ત્રણસો સાંઠવાળાને આ જગત કેવું દેખાય ?

દાદાશ્રી : કોઈ જીવ દુઃખી છે નહીં, કોઈ સુખી છે નહીં, કોઈ દોષિત નથી. બધું રેગ્યુલર જ છે. સર્વ જીવો નિર્દોષ જ દેખાય, અમનેય નિર્દોષ દેખાય છે. પણ અમને શ્રદ્ધામાં નિર્દોષ દેખાય છે, શ્રદ્ધામાં અને જ્ઞાનમાં. પણ ચારિત્રમાં નથી એટલે અમે બોલીએ કે આ તેં ખોટું કર્યું, આ આનું સારું. સારું-ખોટું બોલે છે ત્યાં સુધી વર્તનમાં નિર્દોષ નથી દેખાતા ! એ હજુ વર્તનમાં આવ્યું નથી. તે વર્તનમાં આવશે ત્યારે ત્રણસો સાંઠ પૂરી થઈ જશે અમારી. આ મનમાં કશુંય નહીં અમારે, રાગ-દ્વેષ જરાય નહીં, વાતોમાં બોલીએ.

તીર્થંકરોને હોય સંપૂર્ણ શુદ્ધતા

આ અમે શુક્લધ્યાનના બીજા પાયામાં છીએ ને તમને પહેલા પાયામાં બેસાડ્યા છે. તેથી કવિ લખે છે કે દાદા વિશુદ્ધ હૃદયી છે.

પ્રશ્નકર્તા : દાદાનો આત્મા કમ્પ્લીટલી વિશુદ્ધ જ બની ગયો છે. હવે જેવો દાદાનો આત્મા વિશુદ્ધ છે એવો જ સીમંધર સ્વામીનો હોય ને ? એમનામાં ને આપનામાં શું ફેર ?

દાદાશ્રી : એમનો બિલકુલ ચોખ્ખો, બિલકુલ પ્યૉર ! ફેર આ પેલી ચાર ડિગ્રી ઓછી ને એના બધા આવરણો. તેના આ ઝોકાં વાગે ને ! આમ સત્સંગ માટે અમે બોલીએ, અત્યારે બોલીએ તે ખોટું નહીં, પણ બીજી આ વ્યવહારિક વાતો માટે આ અરધો કલાક અમારે (બીજો) જે જાય, શીંગો કેમ લાવ્યા ને ફલાણું કેમ લાવ્યા ને કેમ તમારે ના ખાવું જોઈએ, આવી બધી વાતો; તે હવે આ ચારિત્રમોહ છે, એ જ આવરણ છે. એ એમને ના હોય.

પ્રશ્નકર્તા : એમને કમ્પ્લીટલી ક્લિયર !

દાદાશ્રી : એમને કમ્પ્લીટલી ક્લિયર, બહુ ક્લિયર ! જગત આખું આફરીન થઈ જાય એવું ક્લિયર ! ત્યારે વાણીયે એવી નીકળે. જેટલું ક્લિયરન્સ એવી વાણી ક્લિયર, બસ એટલો નિયમ.

ચાર ડિગ્રી કમીએ સમજાય પણ દેખાય નહીં

પ્રશ્નકર્તા : તમને ચાર ડિગ્રી ઓછી છે, તો એ કઈ બાબતમાં ?

દાદાશ્રી : હા, તે આ દુનિયાદારી બાબતમાં નથી. એ તમારે બધાને કામ લાગવામાં નુકસાનકારક નથી, પણ અમારે જે આગળનું જાણવાનું છે, જે સૂક્ષ્મતમનો અમુક ભાગ જાણવાનો બાકી છે, કે એના આધારે એબ્સૉલ્યૂટ જ્ઞાન સંપૂર્ણ કહી શકાય એમ નથી. એબ્સૉલ્યૂટમાં જરાક કચાશ છે. એબ્સૉલ્યૂટ છે ખરું, આ છે તે નિરાલંબ રહી શકાય ખરું, પણ બીજું જે જગત જાણવું જોઈએ, એ સમજમાં આવે છે ખરું પણ જણાતું નથી. નહીં તો પછી વર્ણન બધું આપી શકું. ભગવાન મહાવીરે જે વર્ણન આપ્યું એ બધું જ વર્ણન આપું હું, અત્યારે તો મારે ભગવાન મહાવીરનું વર્ણન કહેવું પડે છે કેટલુંક તો. કેટલુંક પૂછો તો જવાબમાં ભગવાન મહાવીરે કહેલું તે કહેવું પડે. હા, કેટલુંક મારું છે, પણ કેટલુંક ત્યાંનું હોય.

એટલે એ ચાર ડિગ્રી ખૂટે છે. એ જગતને કંઈ પણ નુકસાન ના કરે એવી એ ચાર ડિગ્રી છે. પણ એ ચાર ડિગ્રી ખૂટે એ છેલ્લું આવરણ છે, સૂક્ષ્મતમ આવરણ છે, તે જવાનું બાકી છે. જેના આધારે અહીંથી વસ્તુઓ બધી જણાવી જોઈએ એ મને સમજાય ખરું, પણ એ જણાય નહીં.

આ જગત જે આખું કેવળજ્ઞાનમાં દેખાવું જોઈએ મને, તે દેખાતું નથી. હમણે ઘડી પછી શું થશે તે મને દેખાતું નથી. હું બસમાં જઈશ કે શેમાં જઈશ તેય મને દેખાતું નથી. એ પેલું કેવળજ્ઞાનમાં

(પા.૧૮)

બધુંય દેખાય. અહીંથી બસમાં જઈશ હું, બસ વચ્ચે રસ્તામાં અથડાશે તેય પણ દેખાય. પણ એમને ખેદ ના હોય. એ પછી દરિયે ડૂબી જાય તોય એમને ખેદ ના હોય. એટલે કેવળજ્ઞાનમાં બધું જગત દેખાય એ અમને દેખાતું નથી અને એની અમે ઉતાવળેય નથી કરતા.

અહંકારની ભૂલથી કેવળજ્ઞાનમાં નાપાસ

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે જ્ઞાની પુરુષને કેવળજ્ઞાન ચાર ડિગ્રીએ અટક્યું છે. અને આત્મજ્ઞાનની ઉપર ગયું અને કેવળજ્ઞાનના સ્ટેશને પહોંચ્યું નથી. હવે આત્મજ્ઞાનની ઉપર અને કેવળજ્ઞાનની નીચે એ બેની વચ્ચેની દશા છે દાદાની ?

દાદાશ્રી : હા, વચ્ચેની દશા છે.

પ્રશ્નકર્તા : એ દશા કઈ કહેવાય ?

દાદાશ્રી : એટલે નહીં આચાર્ય, નહીં તીર્થંકર, નહીં અરિહંત.

પ્રશ્નકર્તા : નહીં અરિહંત, નહીં આચાર્ય પણ એનું કંઈ પદ તો હશે ને ? કોઈ પદ કહેવાય નહીં એને ?

દાદાશ્રી : પદ એનું મૂકેલું નથી ને ! પાંચ જ પદો મૂક્યા છે. આ તો (કેવળજ્ઞાનમાં) નાપાસ થયેલાને શેમાં મૂકવો ? પરીક્ષામાં પાસ થઈ જાય તેને અરિહંતમાં મૂકવો અને નાપાસ થયા એને શામાં મૂકવો ?

પ્રશ્નકર્તા : તો એ પાછા આચાર્યમાં નથી આવતા ? વચ્ચેમાં રહે છે ?

દાદાશ્રી : ના, આચાર્યમાં શી રીતે આવે ?

પ્રશ્નકર્તા : આ તો દાદા, ત્રિશંકુ જેવી સ્થિતિ થઈ.

દાદાશ્રી : ના, ત્રિશંકુ આમાં લેવાદેવા નહીં, આ પોતે જ ભગવાન છે પણ એ નાપાસ થયેલા ભગવાન છે, બસ એટલું જ.

અત્યારે તો ચાર ડિગ્રીએ નાપાસ થયો હું, એટલે આ તમારે કામ લાગ્યો, આ બધા લોકોને. ફેલ ના થયો હોત, પાસ થયો હોત તો મોક્ષે ઊડી જાત.

પ્રશ્નકર્તા : પછી નાપાસ કેમ થયા ?

દાદાશ્રી : કંઈ ભૂલ થઈ હશે તેથી જ તો ને ! ભૂલ વગર તો કંઈ નાપાસ કરાય નહીં ને !

પ્રશ્નકર્તા : કેવી ભૂલ થઈ ? કઈ જાતની ભૂલ ?

દાદાશ્રી : ભૂલ અહંકારની થઈ હશે કંઈક. મહીં હુંપણું આવી ગયું હશે. ‘હું જ છું, હું છું, હું છું.’ એ ભૂલને લઈને નાપાસ થઈ ગયા. હવે એ અહંકાર કાઢી નાખવો પડશે, તે કાઢી નાખ્યો બધો. હવે ચોખ્ખું કરી નાખ્યું.

પ્રશ્નકર્તા : તો હવે તો કેવળજ્ઞાન થઈ જવું જોઈએ ને ?

દાદાશ્રી : હવે ચોખ્ખું થયું પણ અત્યારે ના થાય. અત્યારે આ કાળ જ નથી ને, તે દહાડે કાળ હતો. પચ્ચીસસો વર્ષ પહેલા ત્યારે કાળ હતો. અત્યારે એ કાળ નથી, ત્યારે મારે ઉતાવળેય નથી. હું તો નિરંતર મોક્ષમાં જ રહું છું.

ચાર અંશ ખૂટ્યા તે ચારિત્રમોહના

પ્રશ્નકર્તા : એટલે તમને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવામાં ચાર જ અંશ ખૂટે છે ?

દાદાશ્રી : તે તમને દેખાતા નથી થોડાઘણા ?

પ્રશ્નકર્તા : નથી દેખાતા, અમને તો દાદા પૂર્ણ દેખાય છે !

દાદાશ્રી : આ પટીયા પાડ્યા છે, એ બધું

(પા.૧૯)

નથી પાડ્યું એમણે ? શેના હારુ પટીયા પાડ્યા ? કોઈ કહેશે, ‘પટીયા પાડવા હારુ તેલ ક્યાંથી લાવો છો ? આ વાળ કોની પાસે કપાવો છો ? આ વીંટી ક્યાંથી લાવ્યા છો, ચોરીને લાવ્યા છો ?’

આ ચારિત્રમોહ જે દેખાય છે તમને, તે ભલે મને એની મૂર્ચ્છા ના હોય, છતાં સામાને દેખાય છે માટે એટલા અંશ બાદ થઈ જાય છે અને મારે ચાર ડિગ્રી ખૂટે છે એ. બિન સ્વાર્થ નહીં, હું મારા સ્વાર્થ હારુ બોલું છું.

અમારે ચાર ડિગ્રી ઈમ્પ્યૉર હોય. જ્ઞાનમાં બહુ ઈમ્પ્યૉરિટી ના હોય, એ વર્તનમાં ઈમ્પ્યૉરિટી હોય. કપડાં, કોટ-બૂટ બધું પહેરીએ ને, એ બધું વર્તન કહેવાય. પેલું તો આનીય કાળજી ના હોય, એ કોટ-બૂટ કશાની. પહેરાવનાર મળે તો પહેરે અને ના પહેરાવનાર મળે તો એમ ને એમ ! અને આ તો કોઈ ના પહેરાવનાર મળે તો હું મારી મેળે બૂટ ખોળીને પહેરું. હું એમ ને એમ ના નીકળું, એટલો ફેર. પેલાને ના પહેરાવનાર મળે તો ઐસે હી, પહેરાવનાર મળે તો તૈસે હી.

તપ બાકી, તેથી અટક્યું કેવળજ્ઞાન

પ્રશ્નકર્તા : એટલે એ ચાર ડિગ્રીમાં આ દેખીતું આવ્યું ?

દાદાશ્રી : આ દેખીતું, બીજા ખાસ જોતા તો કેવળજ્ઞાનને રોકે એવા દોષ છે. લોકોને નુકસાન કરે એવા નહીં. અમનેય દહાડામાં સો-સો ભૂલો થાય છે હજુય પણ, જે ભૂલો તમને કોઈને દેખાય નહીં એવી, પણ કેવળજ્ઞાનને રોકે એવી. આપણે તો કામ સાથે કામ છે ને ? આપણે તો મોક્ષે જવું છે. તે કોઈ કહેશે, ‘તમારે ઢીલું રાખવું છે ?’ ત્યારે કહે, ‘ના, ઢીલેય નહીં ને ઉતાવળેય નહીં.’ આપણને એવુંય નથી કે આપણે ઉતાવળ છે કોઈ જાતની. ઉતાવળ હોય જ નહીં ને વીતરાગતામાં ?

આ કેવળજ્ઞાનમાં ચાર ડિગ્રી અમારે ખૂટે છે તે ‘અમુક ભાગ’ નહીં હોવાથી અમને આ જ્ઞાન અટક્યું છે. એ તપ સિવાય જ્ઞાન અટક્યું છે. એ તપ પૂરું થઈ જાય ત્યાર પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય, નહીં તો ઉત્પન્ન થાય નહીં.

ન ખપે પરતંત્રતા કોઈની

પ્રશ્નકર્તા : ચાર ડિગ્રી તમારી ખૂટવાનું કારણ શું ?

દાદાશ્રી : આ કાળને લીધે પૂરું ના થયું, નહીં તો કેવળજ્ઞાન અમારા હાથમાં જ હતું. પણ આ કાળને લઈને પચ્યું નહીં.

જ્ઞાની પુરુષ કેવળજ્ઞાન સ્વરૂપમાં રહેવાના જ આશયમાં હોય. પણ આ કાળને લઈને, કાળને હિસાબે કેવળજ્ઞાન સ્વરૂપમાં અખંડપણે રહી ના શકાય. પણ એમનો આશય કેવો હોય કે નિરંતર કેવળજ્ઞાન સ્વરૂપમાં રહેવું. કારણ કે ‘કેવળજ્ઞાન સ્વરૂપ’ને એ ‘પોતે’ જાણતા હોય. કેવળજ્ઞાન સ્વરૂપ જણાય છે, બીજું જગત જણાતું નથી. આ કાળની એટલી બધી જોશબંધ ઈફેક્ટ છે કે કેવળજ્ઞાન સ્વરૂપમાં રહી શકાય નહીં. જેમ બે ઇંચના પાઈપમાંથી પાણી ફોર્સબંધ આવતું હોય, તો આંગળી રાખે તો ખસી જાય અને અડધા ઇંચની પાઈપમાંથી પાણી આવતું હોય તો આંગળી ના ખસી જાય. એવું આ કાળનું જોશ એટલું બધું છે ! એટલે જ્ઞાની પુરુષનેય સમતુલામાં રહેવા ના દે !

આખો મોક્ષ અટક્યો છે ચાર માર્કને કારણે. અને એ કાળચક્રના આધારે આ બેસી રહ્યો છું. લોકોનું કલ્યાણ થવાનું હશે, તેથી બેસી રહ્યો. તે અમને નુકસાનેય નથી. લોકોનું કલ્યાણ થાવ. અમે તો મોક્ષમાં જ રહીએ છીએ.

પ્રશ્નકર્તા : પણ દાદા, ચાર માર્ક જ રહી ગયા હતા ને તમારે તો મૂળ વસ્તુ પકડવી હતી ને ?

દાદાશ્રી : તે પણ એ કંઈ ભૂલ એમની

(પા.૨૦)

નથી, એ તો કહે કે તમને હમણે પાસ કરી દઈએ. અમારે પેપર જોવામાં ભૂલ થઈ છે. હું કહું, ‘ના બા, એવી તમે માથાકૂટ કરશો નહીં. મને આ વાત સાંભળવાની નવરાશ નથી. તમે માર્ક ઉમેરવાની વાત મારી પાસે કરશો નહીં. હું તો સ્વતંત્ર થયેલો છું. તમે ઉમેરી આપો એટલે મારે પરતંત્ર થવું પડે. હા, એક અમારા ઉપરી આ, સીમંધર સ્વામી !’

મારે ચાર ડિગ્રી પૂરી કરવી પડશે ને !

કેવળજ્ઞાનમાં, પરીક્ષામાં નાપાસ થયો એટલે પછી મારે પરીક્ષા તો આપવી પડશે ને ફરી ? મારે ચાર ડિગ્રી પૂરી કરવી પડશે ને? એટલે હું જ આમ કરીને નમસ્કાર કરું છું. લોકો કહે છે, ‘આ દાદા ભગવાન તમે?’ મેં કહ્યું, ‘ના, ભઈ, આ ભાદરણના પટેલ છે, અમે જ્ઞાની પુરુષ છીએ. અને ઉપરી એવા, બીજા ભગવાનોનાય ઉપરી, એ દાદા ભગવાન મહીં છે તે!’

મહીં પ્રગટ થયેલું સ્વરૂપ છે તે દાદા ભગવાન છે, આ દાદા ભગવાન ન્હોય. આ દાદા ભગવાન ત્યારે કહેવાત કે ભગવાન મહાવીરના જેવું બને, આત્માના જેવો જ દેહ થઈ ગયો હોત તો આ પણ દાદા ભગવાન કહેવાત, પણ આ અમારી હજુ ખૂટે છે ચાર ડિગ્રી. જો આ ચાર ડિગ્રી પૂરી થઈ જાય તો આ મૂર્તિ આખી ઘડાય, પછી એ દર્શન કરવાના.

પણ મહીં તદ્દન છૂટો પડી ગયો છે. આ દેહથી આત્મા નિરંતર જુદો ને જુદો જ રહે છે, એક ક્ષણવાર ભેગો થયો નથી. પણ છતાંય મારે નમસ્કાર કરવા પડે, ચાર ડિગ્રી ઓછી છે એટલે અને તમનેય કહું છું કે ભાઈ, તમેય દાદા ભગવાનને નમસ્કાર કરો. આ પ્રમાણે કરજો હવે. અને નિરંતર આ બોલવાનું રાખો તમારું આ. ધીસ ઈઝ ધ કૅશ બેન્ક ઑફ ડિવાઈન સૉલ્યુશન ! આવી કૅશ બેન્ક કોઈ વખત નીકળી નથી.

ચૌદ લોકનો નાથ દેખાડે આ દોષો

પ્રશ્નકર્તા : આપ જે કહો છો ને કે મહીં ચૌદ લોકનો નાથ પ્રગટ થઈ ગયો છે, તો એ ચૌદ લોકનો નાથ જે આપને પ્રગટ થયેલો અનુભવમાં આવે છે, એ કઈ રીતે અનુભવ છે આપનો ?

દાદાશ્રી : શું અનુભવ જોઈએ ?

પ્રશ્નકર્તા : ચૌદ લોકનો નાથ જે કહો છો ને ! જે ચૌદ લોકનો નાથ છે મહીં બેઠેલો, તે પ્રગટ થયેલો છે. તો એનો અનુભવ આમ એની સ્વસત્તાને લીધે રહે ?

દાદાશ્રી : નહીં, અભેદતા લાગવી જોઈએ ને ! એકતા લાગવી જોઈએ બધા સાથે. જગતના જીવમાત્ર જોડે એકતા લાગવી જોઈએ. ભેદાભેદ ના લાગવું જોઈએ.

પ્રશ્નકર્તા : એટલે આપને આમ સ્પષ્ટ એકતા લાગે ?

દાદાશ્રી :એકતા જ લાગ્યા કરે. એટલે કોઈનો દોષ દેખાય નહીં. નિર્દોષ જ દેખાય બધું. આ બધું જોયું, એ જ પૂર્ણ દશા. પછી અનંત શક્તિઓ હોય, પાર વગરની !

પ્રશ્નકર્તા : એ શક્તિઓ કેવી ? આપણને શક્તિઓની બધી ખબર પડે ને ?

દાદાશ્રી : બધું હોય ને ! શક્તિઓ બધી હોય પણ આ બધી સંસારમાંથી મુક્ત કરનારી શક્તિઓ ! સંસારી શક્તિઓ નહીં, સંસારમાંથી મુક્ત કરનારી ! એટલે બધાને અડચણ હોય તે પ્રમાણે કહી આપે ને પણ કે ભઈ, તું આમ કરજે, તું આમ કરજે.

પ્રશ્નકર્તા : એટલે શક્તિઓ અનુભવમાં આવે આપને ?

(પા.૨૧)

દાદાશ્રી : બધી અનુભવમાં આવે અને પ્રગટ થાય.

‘આ મારું નથી’ એમ કહીએ છીએ, એનું શું કારણ ? કે અમારામાં કિંચિત્માત્ર દોષ, કે જેને આ જગત સમજી ના શકે એવા સૂક્ષ્મતમ દોષો, તે પણ એ દેખાડે અમને. એટલે એ દેખાડનાર છે ને અમે જાણનાર છીએ. એમના દેખાડવાથી જાણ્યા અમે આ દોષને. એટલે એ જો પૂર્ણ અવતાર છે, પૂર્ણ દશા છે. ચૌદ લોકનો નાથ, પૂર્ણ પ્રગટ ! કોઈ દોષ દેખાડ્યા વગર રહે નહીં. આ તમને તમારી સ્થિતિ પ્રમાણે એ પ્રગટ થાય અને પછી તે પ્રમાણે તમને દેખાડે.

દોષ હોય ત્યાં સુધી નહીં પોતાની દશા

પ્રશ્નકર્તા : દાદાજી, ચૌદ લોકનો નાથ પ્રગટ થયો ત્યારે તમને ખબર કેવી રીતે પડી ? અંદર બધું ખુલ્લું થયું, એ વખતે શું અનુભવ થયો ? સ્થિતિ ખબર પડી ?

દાદાશ્રી : બધા જ અનુભવ થાય ને ! એ દશાની શક્તિ ઉત્પન્ન થઈએ દેખાય ને પોતાને ! પોતાને એ શક્તિ ઉત્પન્ન થઈએ દેખાય બધી.

પ્રશ્નકર્તા : સાવ બધું જુદું થઈ જાય ?

દાદાશ્રી : ના, ના, શક્તિ બધી એવી, સંપૂર્ણ શક્તિ ઉત્પન્ન થતી દેખાય. બધું જ દેખાય, પણ જગતને કામનું નહીં ને ! જગત તો પૌદ્ગલિક વસ્તુ ખોળે.

સૂક્ષ્મતમ દોષો બધા જ દેખાડે. એકેય બાકી ના રહે. પૂર્ણ થવું, તે દશા ઉત્પન્ન થાય પોતાની. જ્યાં સુધી દોષો છે ત્યાં સુધી એ દશા પોતાની કહેવાય નહીં ! ભલે ગમે તે સૂક્ષ્મતમ પણ દોષ હોય ત્યાં સુધી એ દશા પોતાની કહેવાય નહીં. પોતાનું કહેવું એ જોખમ છે. લોકોને સમજણ ના હોય તો જોખમદારી લે ! પણ સમજણવાળો તો કોઈ જોખમદારી લે નહીં ને !

ભૂલ વગરનું દર્શન ને ભૂલવાળું વર્તન

પોતાની ભૂલ પોતાને જડે એ ભગવાન થાય.

પ્રશ્નકર્તા : આ રીતે કોઈ ભગવાન થયેલો ?

દાદાશ્રી : જેટલા ભગવાન થયેલા એ બધાયને પોતાની ભૂલ પોતાને જડેલી અને ભૂલને ભાંગેલી તે જ ભગવાન થયેલા. એ ભૂલ રહે નહીં એવી રીતે ભૂલને ભાંગી નાખે. બધી ભૂલો દેખાય.

સ્થૂળ ભૂલો તો સામસામી ટકરામણ થાય એટલે બંધ થઈ જાય, પણ સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ એટલી બધી હોય છે કે એ જેમ જેમ નીકળતી જાય તેમ તેમ માણસની સુગંધી આવતી જાય.

હવે ભૂલ કોને દેખાય ? ત્યારે કહે, ભૂલ વગરનું એનું ચારિત્ર, શ્રદ્ધામાં છે પોતાને ! અને ભૂલવાળું વર્તન, વર્તનમાં છે, એને ભૂલ દેખાય. ભૂલ વગરનું ચારિત્ર એની શ્રદ્ધામાં હોય, ભૂલ વગરનું ચારિત્ર સંપૂર્ણ દર્શનમાં હોય અને ભૂલવાળું વર્તન એના વર્તનમાં હોય, તો એને અમે છૂટો થયેલો કહીએ છીએ. ભૂલવાળું વર્તન ભલે રહ્યું, પણ એના દર્શનમાં શું છે ?

એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલ રહિતનું ચારિત્ર કેવું હોવું જોઈએ ? એ મહીં દર્શનમાં હોવું જોઈએ. દર્શનમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલ ન રહે એવું દર્શન હોવું જોઈએ, તો જ ભૂલ દેખાઈ જાય ને ! દેખનારો ‘ક્લીયર’ હોય તો જ દેખી શકે. તેથી અમે કહીએ છીએ ને કે ૩૬૦વાળા જે ભગવાન છે તે સંપૂર્ણ ‘ક્લીયર’ (ચોખ્ખા) છે અને અમારું (હજુ) ‘અનક્લીયરન્સ’ દેખાડે છે. આ જ્ઞાન મળ્યા પછી બધાંને ‘બે’ તો થાય જ. પેલામાં પણ ‘બે’ હોય છે. જેને જ્ઞાન ના મળ્યું હોય, તેનેય ‘બે’ હોય છે અને આ પણ ‘બે’ હોય છે.

આ જ્ઞાન પછી અંદર ને બહાર જોઈ શકે. તે અંદર ભૂલ વગરનું ચારિત્ર આ છે, એવું એ દર્શનમાં

(પા.૨૨)

જોઈ શકે ! અને ભૂલ વગરનું ચારિત્ર જેટલું એના દર્શનમાં ઊંચું ગયું, એટલી છે તે ભૂલો એને દેખાય. મહીં જેટલું ટ્રાન્સ્પરન્ટ (પારદર્શક) ને ક્લીયર થયું, અરીસો શુદ્ધ થયો કે તરત મહીં દેખાય. એમાં ઝળકે ભૂલો ! તમારે ભૂલો ઝળકે છે કે મહીં ?

પ્રશ્નકર્તા : દેખાય છે. ભૂલ વગરનું ચારિત્ર જેના દર્શનમાં હોય અને ભૂલવાળું ચારિત્ર જેના વર્તનમાં હોય એટલે દેખાય ?

દાદાશ્રી : એટલે તરત ખબર પડે કે પેલું ભૂલ વગરનું. એટલે ભૂલ વગરનું ચારિત્ર દર્શનમાં હોય, તે કહી આપે કે આ ભૂલ થઈ.

65">નિષ્પક્ષપાતી દ્રષ્ટિ દેખાડે નિજદોષો

‘સ્વરૂપના જ્ઞાન’ વગર તો ભૂલ દેખાય નહીં. કારણ કે ‘હું જ ચંદુભાઈ ને મારામાં તો કશો વાંધો નથી, હું તો ડાહ્યોડમરો છું’ એમ રહે અને ‘સ્વરૂપના જ્ઞાન’ની પ્રાપ્તિ પછી તમે નિષ્પક્ષપાતી થયા, મન-વચન-કાયા પર તમને પક્ષપાત ના રહ્યો. તેથી પોતાની ભૂલો તમને પોતાને દેખાય. જેને પોતાની ભૂલ જડશે, જેને ક્ષણે ક્ષણે પોતાની ભૂલ દેખાય, જ્યાં જ્યાં થાય ત્યાં દેખાય, ના થાય ત્યાં ના દેખાય એ પોતે ‘પરમાત્મા સ્વરૂપ’ થઈ ગયો ! વીર ભગવાન થઈ ગયો !

‘આ’ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પોતે નિષ્પક્ષપાતી થયો. કારણ કે ‘હું ચંદુભાઈ નથી, હું શુદ્ધાત્મા છું’ એ સમજાય પછી જ નિષ્પક્ષપાતી થવાય. કોઈનો સહેજેય દોષ દેખાય નહીં અને પોતાના બધા જ દોષો દેખાય ત્યારે પોતાનું કામ પૂરું થયું કહેવાય. પહેલાં તો ‘હું જ છું’ એમ રહેતું, તેથી નિષ્પક્ષપાતી નહોતા થયા. હવે નિષ્પક્ષપાતી થયા એટલે પોતાના બધા જ દોષો દેખાવાનું શરૂ થાય અને ઉપયોગ અંદર તરફ જ હોય, એટલે બીજાના દોષો ના દેખાય ! પોતાના દોષ દેખાવા માંડ્યા એટલે ‘આ’ ‘જ્ઞાન’ પરિણમવાનું શરૂ થઈ જાય. પોતાના દોષ દેખાવા માંડ્યા એટલે બીજાના દોષ ના દેખાય.

આ નિર્દોષ જગતમાં કોઈ દોષિત છે જ નહીં, ત્યાં દોષ કોને અપાય ? દોષ છે ત્યાં સુધી દોષ એ અહંકાર ભાગ છે ને એ ભાગ ધોવાશે નહીં, ત્યાં સુધી બધા દોષ નીકળશે નહીં, ત્યાં સુધી અહંકાર નિર્મૂળ નહીં થાય. અહંકાર નિર્મૂળ થાય ત્યાં સુધી દોષો ધોવાના છે.

જ્યારે સંપૂર્ણ નિષ્પક્ષપાતીપણું આવે, ત્યારે જ પોતે પોતાના બધા જ દોષો જોઈ શકે.

અનંત અવતારોનું પૃથક્કરણ

આ તો બધી મેં પૃથક્કરણ કરેલી વસ્તુઓ છે. ને તે આ એક અવતારની નથી. એક અવતારમાં તો આટલા બધા પૃથક્કરણ થાય ? એંસી વર્ષમાં કેટલાક પૃથક્કરણ થાય તે ? આ તો કેટલાય અવતારનું પૃથક્કરણ છે, તે બધું આજે હાજર થાય છે.

પ્રશ્નકર્તા : આટલા બધા અવતારોનું પૃથક્કરણ એ અત્યારે ભેગું થઈ કેવી રીતે હાજર થાય ?

દાદાશ્રી : આવરણ તૂટ્યું એટલે. મહીં જ્ઞાન તો છે જ બધું. આવરણ તૂટવું જોઈએ ને ! સિલકમાં જ્ઞાન તો છે જ, પણ આવરણ તૂટે એટલે પ્રગટ થઈ જાય !

બધા જ ફેઝીઝ (અવસ્થા)નું જ્ઞાન મેં ખોળી કાઢેલું. દરેક ‘ફેઝીઝ’માંથી હું પસાર થયેલો છું અને દરેક ‘ફેઝ’નો ‘એન્ડ’ મેં લાવી નાખેલો છે. ત્યાર પછી ‘જ્ઞાન’ થયેલું છે આ !

પ્રગટે કેવળજ્ઞાન, અંતિમ દોષ જતા

‘મારામાં ભૂલ જ નથી’ એવું તો ક્યારેય ના બોલાય, બોલાય જ નહીં. ‘કેવળ’ થયા પછી જ ભૂલો ના રહે. ભગવાન મહાવીરને કેવળજ્ઞાન

(પા.૨૩)

ઉપજ્યું ત્યાં સુધી દોષો દેખાતા હતા. ભગવાનને કેવળજ્ઞાન ઉપજ્યું તે કાળ અને પોતાના દોષ દેખાતા બંધ થવાનો કાળ એક જ હતો ! તે બન્નેય સમકાલીન હતા. છેલ્લા દોષનું દેખાવું બંધ થવું અને આ બાજુ કેવળજ્ઞાન ઊભું થવું, એવો નિયમ છે. જાગૃતિ તો નિરંતર રહેવી જોઈએ. આ તો દિવસેય કોથળામાં આત્મા પૂરી રાખે તો કેમ ચાલશે ? દોષો જોતા જઈને ધોવાથી આગળ વધાય, પ્રગતિ થાય, નહીંતર પણ આજ્ઞામાં રહેવાથી લાભ તો છે. તેનાથી આત્મા જળવાઈ રહે.

ક્ષણે ક્ષણે દોષ દેખે ત્યારે કામ થાય

પ્રશ્નકર્તા : દાદાએ કહ્યું છે, ‘તારી જ ચોપડી વાંચ્યા કર, બીજી ચોપડી વાંચવા જેવી નથી. આ પોતાની જે પુદ્ગલ ચોપડી છે, આ મન-વચન-કાયાની એને જ વાંચ, બીજી વાંચવા જેવી નથી !’

દાદાશ્રી : આ વાંચવું સહેલું નથી, બા. એ ‘વીર’નું કામ છે. સહેલું હોવા છતાં સહેલું નથી. અઘરું હોવા છતાં સહેલું છે. અમે નિરંતર આ જ્ઞાનમાં રહીએ, પણ મહાવીર ભગવાન જેવું ન રહેવાય. એ તો ‘વીર’ રહી શકે ! અમને તો ચાર અંશેય ખૂટતા ! એટલુંય ના ચાલે ને ત્યાં આગળ! પણ દ્રષ્ટિ ત્યાંની ત્યાં જ રહેવાની.

તીર્થંકર ભગવાન પોતાના જ્ઞાનમાં જ નિરંતર રહે. એમના જ્ઞાનમય જ પરિણામ હતા. જ્ઞાનમાં કેવું રહેતા હશે ! એવું કયું જ્ઞાન બાકી છે એમને કે એમાં રહેવા જેવું એમને હોય ? જે કેવળજ્ઞાનની સત્તા પર બેઠેલા પુરુષ, એવું કયું જ્ઞાન બાકી છે એમને કે તેમાં રહેવા જેવું હોય ? ત્યારે કહે, પોતાના એક પુદ્ગલમાં જ દ્રષ્ટિ રાખીને જોયા જ કરતા હોય. નિરંતર એક જ પુદ્ગલમાં દ્રષ્ટિ રાખે. એક પુદ્ગલમાં બધા જ પુદ્ગલનું જે છે એ. પોતાના પુદ્ગલનું જ જોવાનું છે કે જે જોવાથી વિલય થઈ જાય!

આત્મા નિર્દોષ છે, પણ નિજદોષે કરીને બંધાયેલો છે. જેટલા દોષ દેખાતા થાય એટલી મુક્તિ અનુભવાય. કોઈ કોઈ દોષોને તો લાખ-લાખ પડ હોય એટલે લાખ-લાખ વાર જોઈએ ત્યારે એ નીકળતા જાય. દોષો તો મન-વચન-કાયામાં ભરેલા જ છે. અમે જાતે જ્ઞાનમાં જોયું છે કે જગત શેનાથી બંધાયું છે ! માત્ર નિજદોષથી બંધાયું છે. નર્યો ભૂલોનો ભંડાર મહીં ભરેલો છે. ક્ષણે ક્ષણે દોષ દેખાય ત્યારે કામ થયું કહેવાય ! આ બધો માલ તમે ભરી લાવ્યા તે પૂછ્યા વગરનો જ ને ! શુદ્ધાત્માનું લક્ષ બેઠું એટલે ભૂલો દેખાય. છતાં ભૂલો ના દેખાય એ નર્યો પ્રમાદ કહેવાય.

કેવળજ્ઞાન સુધી પુરુષાર્થ ચાલુ રહે

મોક્ષે જવાની કંઈક ભાવના હોય, જે કંઈ પ્રાપ્ત કરવાની ભાવના હોય ને, તેની મહીં તન્મયાકાર વૃત્તિ રહે, એટલે એ બાજુની તીવ્રતા હોવી જોઈએ. તીવ્રતા એટલે પોતાનો જબરજસ્ત પુરુષાર્થ હોવો જોઈએ.

પુરુષાર્થ તો, પુરુષ થયા વગર પુરુષાર્થ થાય નહીં. જ્યાં જાગૃત થયો, એટલે પોતાની ભૂલો દેખાવા માંડી, નિષ્પક્ષપાતપણે દેખાવા માંડ્યું. ચંદુભાઈનો એકેએક દોષ સમજતા થાય ત્યારે નિષ્પક્ષપાતપણું થયું, ત્યારે જજમેન્ટ પાવર (નિર્ણય શક્તિ) આવે, ત્યાર પછી પુરુષાર્થ ખરો મંડાય.

આપણા વાણી, વર્તન ને વિનયમાં ફેર થાય છે કે કેમ, એ પણ આપણે સ્ટડી કરતાં રહેવું જોઈએ. થોડી થોડી વાણી ફરતી જાય છે કે નહીં? દાદાના જેવું થવું જ પડશે ને ? તો જ મોક્ષે જવાશે. મોક્ષમાં તો એક જ જાતની ક્વૉલિટી ને ! સોએ સો ટચ પૂરા ને ! એમાં દશ ટચ ચાલે કંઈ ? એટલે આખો શુદ્ધિકરણનો માર્ગ છે આ !

જય સચ્ચિદાનંદ