કષાયોની ‘મીઠાશ’ સામે જાગૃતિ

સંપાદકીય

મોક્ષમાં બાધક શું છે ? કષાયો. રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા-લોભ એ બધું દુઃખ દેનારી વસ્તુઓ છે, એને જ કષાય કહેવાય છે. દ્વેષ કષાયથી પીડા થાય એ અનુભવમાં આવ્યું છે પણ ઘણીવાર પ્રશ્ન એ થાય કે આ રાગથી પીડા થતી નથી, તો પછી રાગને કષાય કેમ કહ્યો ? ત્યારે દાદાશ્રી કહે છે, રાગથી પીડા ના થાય પણ રાગ એ કષાયનું બીજ છે. રાગથી બીજ પડે, પછી એનું પરિણામ આવશે તે દહાડે દ્વેષ ઉત્પન્ન થશે. અને એમાંથી સંસાર વધતો જશે.

જીવમાત્રને અનુકૂળ, રાગવાળા કે મીઠા સંજોગો ગમે છે. સહેજ પણ પ્રતિકૂળતા કે કડવાશ આવે તો તે સંયોગ ગમતા નથી. તે સંયોગ પ્રત્યે દ્વેષ થાય છે અને તેમાંથી દૂર થવાના પ્રયત્નો કરે છે. પ્રતિકૂળતા એકલામાં જ કષાય થાય છે એવું નથી, અનુકૂળતામાં પણ કષાય થાય છે. પ્રતિકૂળતાના કષાયો માન અને ક્રોધ, જે દ્વેષમાં જાય છે. અનુકૂળમાં ઊભા થતા કષાયો ઠંડકવાળા હોય, મીઠા હોય, તે રાગ કષાય, લોભ ને કપટવાળા છે. તેની ગાંઠ જલ્દી તૂટે નહીં. એ કષાયો રસ ગારવતામાં ડૂબાડે અને અનંત અવતાર ભટકાવી મારે છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી)ની કૃપાથી પ્રાપ્ત થયેલ અક્રમ જ્ઞાન પછી મહાત્માઓને રાગ-દ્વેષ બિલકુલ રહેતા નથી. હવે જે દેખાય છે તે ડિસ્ચાર્જ રાગ-દ્વેષ છે. હવે ડિસ્ચાર્જ રાગ-દ્વેષ કષાય સામે જ્ઞાનજાગૃતિ રાખવી એ જ એકમાત્ર પુરુષાર્થ મહાત્માઓને હોવો ઘટે.

દાદાશ્રી હંમેશા કહેતા હતા કે જ્ઞાન પહેલા અમે અનુકૂળ, મીઠા સંજોગોથી કાયમ ચેતતા રહેતા. કારણ કે એ મીઠાશ ઝોકું ખવડાવી દે, જાગૃતિ ડિમ કરી નાખે, જ્યારે કડવાશ જાગૃતિ વધારે છે. કડવું ફળ મીઠું છે અને મીઠું ફળ કડવું છે એવું સમજાશે ત્યારે મોક્ષે જવાશે !

આ મીઠાશનો આધાર શું છે ? સંસારની અનાદિની અજ્ઞાન માન્યતાના અધ્યાસથી આ મીઠાશ વર્તે છે. મહાત્માઓને શુદ્ધાત્માની પ્રાપ્તિ પછી હવે જે ડિસ્ચાર્જ મીઠાશ ઊભી થાય છે, તેની સામે પારિણામિક દ્રષ્ટિ કેળવવી એટલે કે જ્યાં મીઠાશ લાગે છે ત્યાંથી જ માર પડશે, અને સાથે સાથે એ મીઠાશ શુદ્ધાત્માને નથી વર્તતી, અહંકારને વર્તે છે એવી જ્ઞાનજાગૃતિ રાખી ‘મીઠાશ’નો કાયમી આધાર તૂટે એવો પુરુષાર્થ માંડી મોક્ષમાર્ગે મીઠાશ સામે જાગૃતિ વધે એ જ અભ્યર્થના.

~ જય સચ્ચિદાનંદ.

(પા.૪)

કષાયોની ‘મીઠાશ’ સામે જાગૃતિ

રાગ એ કષાયનું બીજ

પ્રશ્નકર્તા :રાગ-દ્વેષ એ કષાયભાવ છે કે જુદું છે ?

દાદાશ્રી : એ કષાયના જ ભાવ છે. એ જુદું તત્ત્વ નથી. ક્રોધ અને માન એ દ્વેષ છે ને માયા ને લોભ એ રાગ છે. આ ક્રોધ-માન-માયા-લોભ, એ આત્માને પીડે એ બધા કષાય.

પ્રશ્નકર્તા :રાગથી પીડા થતી નથી, છતાંય રાગને કષાય કેમ કહ્યો?

દાદાશ્રી : રાગથી પીડા ના થાય, પણ રાગ એ કષાયનું બીજ છે. એમાંથી મોટું ઝાડ ઉત્પન્ન થાય !

દ્વેષ એ કષાયની શરૂઆત છે અને રાગ એ બીજ નાખ્યું, ત્યાંથી પછી એનું પરિણામ આવશે. એનું પરિણામ શું આવશે ? કષાય. એટલે પરિણામ આવશે તે દહાડે દ્વેષ ઉત્પન્ન થશે. અત્યારે તો રાગ છે એટલે મીઠું લાગે.

આ જે નિરંતર ગારવરસમાં રાખે, ખૂબ ઠંડક લાગે, ખૂબ મજા આવે. એ જ કષાયો છે તે ભટકાવનારા છે.

રાગ કષાય ઝોકું ખવડાવે

પ્રશ્નકર્તા :અનુકૂળ સંયોગોમાં કષાયભાવ આવતો નથી ને પ્રતિકૂળ સંયોગોમાં કષાયભાવ બહુ આવી જાય છે, તો એને માટે શું કરવાનું ?

દાદાશ્રી : એવું છે ને, પ્રતિકૂળ એકલામાં જ કષાય થાય છે એવું નથી, અનુકૂળમાં બહુ કષાય થાય છે પણ અનુકૂળના કષાયો ઠંડા હોય. એને રાગકષાય કહેવાય છે. એમાં લોભ અને કપટ બેઉ હોય. એમાં એવી ખરેખરી ઠંડક લાગે કે દહાડે દહાડે ગાંઠ વધતી જ જાય. અનુકૂળ સુખદાયી લાગે છે, પણ સુખદાયી છે એ જ બહુ વસમું છે.

પ્રશ્નકર્તા :અનુકૂળમાં તો ખબર પડતી જ નથી કે આ કષાયભાવ છે.

દાદાશ્રી : એમાં કષાયની ખબર ના પડે. પણ એ જ કષાય મારી નાખે. પ્રતિકૂળના કષાયો તો ભોળા હોય બિચારા ! એની જગતને તરત જ ખબર પડી જાય. જ્યારે અનુકૂળના કષાયો, લોભ અને કપટ તો એ ફૂલીફાલીને મોટા થાય છે ! પ્રતિકૂળના કષાયો, માન અને ક્રોધ છે. એ બન્ને દ્વેષમાં જાય. અનુકૂળના કષાયો અનંત અવતારથી ભટકાવી મારે છે. તમને સમજમાં આવી ગયું ને ?

પ્રશ્નકર્તા :હા.

દાદાશ્રી : એટલે બન્ને ખોટા છે - અનુકૂળ ને પ્રતિકૂળ.

દ્વેષ એ પ્રતિકૂળ કષાય કહેવાય અને આ રાગનું એ અનુકૂળ કષાય કહેવાય. અનુકૂળ જ્યારે છોડવું હોય ત્યારે છોડાય, પણ અનુકૂળતામાં બહુ જાગૃતિ રાખવી પડે. પ્રતિકૂળ કડવું લાગે ને કડવું લાગે એટલે તરત જ જાગૃતિ આવી જાય. અનુકૂળ મીઠું લાગે.

અમને ‘સ્વરૂપ જ્ઞાન’ નહોતું થયું ત્યારે અનુકૂળમાં અમે બહુ ચેતતા રહેતા. પ્રતિકૂળમાં તો આપણને ખબર મળશે. અનુકૂળથી જ આખું બધું રખડેલું. કો’કના ઘરમાં સાપ પેસી ગયો ને તેને એણે દીઠેલો હોય એટલે એને આપણે એમ ના કહેવું પડે કે સાપ પેસી ગયો છે, જાગતો રહેજે! એટલે જાગતા રહેવા જેવું આ જગત છે. આ જે ભૂલો કરાવે છે ને જે ઝોકું ખવડાવે છે, તે અનુકૂળતા જ કરાવે છે.

(પા.૫)

જ્ઞાનની પારાશીશી, પ્રતિકૂળતામાં

પ્રશ્નકર્તા :દરેકને અનુકૂળ સંયોગો જ જોઈએ, એવું કેમ ?

દાદાશ્રી : અનુકૂળ એટલે સુખ, જેમાં શાતા થાય એ અનુકૂળ. અશાતા થાય એ પ્રતિકૂળ. આત્માનો સ્વભાવ આનંદવાળો છે, એટલે એને પ્રતિકૂળતા જોઈએ જ નહીં ને ! એટલે નાનામાં નાનો જીવ હોય, તેય અનુકૂળ ના આવે તો ખસી જાય !

એટલે છેલ્લી વાત એ સમજી લેવાની છે કે પ્રતિકૂળ અને અનુકૂળ એક કરી નાખો. વસ્તુમાં કશો માલ નથી. આ રૂપિયાના સિક્કામાં આગળ રાણી હોય ને પાછળ લખેલું હોય એના જેવું છે. એવી રીતે આમાં કશું જ નથી. અનુકૂળ ને પ્રતિકૂળ બધી કલ્પનાઓ જ છે.

તમે શુદ્ધાત્મા થયા, એટલે પછી અનુકૂળેય ના હોય ને પ્રતિકૂળેય ના હોય. આ તો જ્યાં સુધી આરોપિત ભાવ છે ત્યાં સુધી સંસાર છે ને ત્યાં સુધી જ અનુકૂળ ને પ્રતિકૂળનો ડખો છે. હવે તો જગતને જે પ્રતિકૂળ લાગે, તે આપણને અનુકૂળ લાગે. આ પ્રતિકૂળ આવે ત્યારે જ આપણને ખબર પડે કે પારો ચઢ્યો છે કે ઊતર્યો છે !

આપણે ઘેર આવ્યા ને આવતાંની સાથે જ કંઈક ઉપાધિ ઊભી થઈ ગઈ, તો આપણે જાણીએ કે આપણને હજુ ઊંચા-નીચા પરિણામ વર્તે છે. નહીં તો મહીં ઠંડક થઈ ગઈ છે, એવુંય ખબર પડે. તે પારાશીશી જોઈએ ને ? તે પારાશીશી વેચાતી બજારમાં મળે નહીં; આપણે ઘેર એકાદ હોય તો સારું. અત્યારે આ કળિયુગ છે, દુષમકાળ છે, એટલે ‘પારાશીશીઓ’ ઘરમાં બે-ચાર હોય જ, એક ના હોય ! નહીં તો આપણું માપ કોણ કાઢી આપે ? કો’કને ભાડે રાખીએ તોય ના કરે ! ભાડૂતી આપણું અપમાન કરે, પણ એનું મોઢું ચઢેલું ના હોય એટલે આપણે જાણીએ કે આ બનાવટી છે ! ને પેલું તો ‘એક્ઝેક્ટ’ ! મોઢું-બોઢું ચઢેલું, આંખો લાલ થઈ ગયેલી. તે પૈસા ખર્ચીને કરે તોય એવું ના થાય, ને આ તો મફતમાં આપણને મળે છે !

આ સંસાર આંખ્યે દેખ્યો રૂપાળો લાગે એવો છે. એ છૂટે શી રીતે? માર ખાય ને વાગે તોય પાછું ભૂલી જવાય. આ લોકો કહે છે ને કે વૈરાગ્ય રહેતો નથી, તે શી રીતે રહે ?

ખરી રીતે સંયોગ અને શુદ્ધાત્મા સિવાય બીજું કશું છે જ નહીં. સંયોગો પાછા બે પ્રકારના-પ્રતિકૂળ અને અનુકૂળ. એમાં અનુકૂળનો વાંધો ના આવે; પ્રતિકૂળ એકલા જ હેરાન કરે. એટલા જ સંયોગોને આપણે સાચવી લેવાના. અને સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે. એટલે એનો ટાઈમ થાય એટલે હેંડતો થાય. આપણે એને ‘બેસ, બેસ’ કહીએ તોય ના ઊભો રહે !

નઠારા સંયોગ વધારે રહે નહીં. લોકો દુઃખી કેમ છે ? કારણ કે નઠારા સંયોગોને સંભારી સંભારીને દુઃખી થાય છે. એ ગયો, હવે શું કામ કાંણ માંડી છે ? દાઝે તે વખતે રડતો હોય તો વાત જુદી છે, પણ હવે તો તને મટવાની તૈયારી થઈ તોય બૂમો પાડે કે ‘જુઓ, હું દાઝયો, હું દાઝયો !’ કર્યા કરે.

તમારેય હવે સંયોગો એકલા રહ્યા છે. મીઠા સંયોગો તમને વાપરતા નથી આવડતા. મીઠા સંયોગો તમે વેદો છો, એટલે કડવા પણ વેદવા પડે છે. પણ મીઠાને ‘જાણો’, તો કડવામાં પણ ‘જાણવાપણું’ રહેશે! પણ તમને હજુ પહેલાંની આદતો જતી નથી, તેથી વેદવા જાવ છો. આત્મા વેદતો જ નથી, આત્મા જાણ્યા જ કરે છે. જે વેદે છે તે ભ્રાંત આત્મા છે, પ્રતિષ્ઠિત આત્મા છે. તેનેય આપણે જાણવું કે ‘ઓહોહો ! આ પ્રતિષ્ઠિત આત્મા જલેબીમાં તન્મયાકાર થઈ ગયો છે.’

(પા.૬)

પ્રતિકૂળતામાં આત્મજાગૃતિ

પ્રશ્નકર્તા : અનુકૂળમાં ટાઢું પડી જાય અને પ્રતિકૂળતામાં વધારે જાગૃતિ રહે એવું કેમ ?

દાદાશ્રી : અનુકૂળમાં તો એવું છે ને, એને મીઠું લાગે ને ! ઠંડો પવન આવતો હોય તો કલાક જતો રહે ને બહુ ગરમી હોય તો કલાક કાઢવો હોય તો કેટલો ભારે લાગે ! અને આ તો કલાક કાઢવો સહેજમાં નીકળી જાય. તેમ જમવાનું સારું હોય તોય ઝપાટાબંધ જમાઈ જાય અને ભૂખ લાગી હોય ને જમવાનું બધું એવું હોય તો પછી ના છૂટકે ખાવું પડે.

પ્રશ્નકર્તા : પણ જાગૃતિ પ્રતિકૂળતામાં કેમ વધારે રહે છે ?

દાદાશ્રી : પ્રતિકૂળતા એ આત્માનું વિટામીન છે અને અનુકૂળતા દેહનું વિટામીન છે. અનુકૂળ સંયોગોથી દેહ સારો થાય. પ્રતિકૂળ સંજોગોમાં આત્મા સારો થાય. એ બધા સંયોગો ફાયદાકારક છે. સમજવું હોય તો બધા સંયોગો ફાયદાકારક છે.

અનુકૂળ ને પ્રતિકૂળ બધું બાહ્ય ભાગનું જ છે, બહારનો ભાગ છે ને તે જ વર્તે છે, આત્મા વર્તતો નથી. પ્રતિકૂળ હોય ત્યારે બાહ્ય ભાગ એબ્સંટ થાય, ત્યારે આત્મા હાજર થાય. અનુકૂળતામાં બાહ્ય ભાગ પ્રેઝન્ટ હોય જ. એટલે આપણે આત્મા પ્રેઝન્ટ કરવો હોય તેને પ્રતિકૂળતા સારી અને દેહ પ્રેઝન્ટ કરવો હોય તો અનુકૂળતા સારી.

આપણે જો આત્મા થવું હોય તો પ્રતિકૂળતા લાભદાયી છે ને આત્મા ના થવું હોય તો અનુકૂળતા લાભદાયી છે. જાગૃતિના માર્ગ ઉપર ચાલ્યા એટલે પ્રતિકૂળતા ફાયદાકારક અને બેભાનતાના માર્ગ પર એ અનુકૂળતા ફાયદાકારક.

પ્રશ્નકર્તા : અનુકૂળતામાં પણ જાગૃતિમાં રહે તો વધારે ફાયદો ને?

દાદાશ્રી : પૂરી ના રહી શકે. એટલે અમે પ્રતિકૂળ કરીએ ઊલટું, ના હોય તો.

પ્રશ્નકર્તા : અનુકૂળ ને પ્રતિકૂળ એ તો માનવા ઉપર છે ને કે સ્વભાવિક હોય છે આમ ?

દાદાશ્રી : છે એક્ઝેક્ટ, પણ મન છે ત્યાં સુધી હોય જ ને ! જ્યાં સુધી મનનો આધાર છે ત્યાં સુધી હોય જ.

પ્રશ્નકર્તા : આ દેહ છે એનેય પ્રતિકૂળ-અનુકૂળ લાગે જ ને બધું?

દાદાશ્રી : ખરી રીતે દેહને લાગતું નથી, મનનું છે.

પ્રશ્નકર્તા : ગરમી લાગે ને એકદમ અકળામણ થઈ જતી હોય, તો આ ગરમી દેહને લાગે છે કે મનને લાગે છે ?

દાદાશ્રી : મનનું, દેહને કશું લાગે નહીં. બુદ્ધિ કહે એટલે મન ચાલુ થઈ જાય. બુદ્ધિ ના કહે તો વાંધો નહીં. બુદ્ધિ એટલે સંસાર જાગૃતિ.

પ્રશ્નકર્તા : પ્રતિકૂળતા એ અનુકૂળતા જ છે, એવી પણ અંદર ઊંધી ગોઠવણી કરી શકે છે ને, બુદ્ધિથી ?

દાદાશ્રી : હા. પણ જેને મોક્ષે જવું હોય એ ગોઠવણી કરે કે આ તો અનુકૂળ જ છે. ખરો લાભ આમાં છે પ્રતિકૂળતામાં. અમે ટાઢમાંય ઓઢેલું કાઢી નાખીએ, એટલે જાગૃતિ રહે.

પ્રશ્નકર્તા : એ વખતે કેવી જાગૃતિમાં રહો ?

દાદાશ્રી : જાગૃતિ જાગૃતિમાં રહી, નહીં તો જાગૃતિ ઊંઘે છે.

પ્રશ્નકર્તા : આ ઠંડી લાગવાથી ઊંઘ આવે નહીં. એટલે પછી જે જાગી ગયા, પછી જાગૃતિમાં રહેવાનું એવી રીતે ?

(પા.૭)

દાદાશ્રી : નહીં તો ઊંઘ આવી જાય. અને તે ઘડીએ કોઈ જગાડનાર હોય નહીં ને !

પ્રશ્નકર્તા : એ અંદર શું જાગૃતિમાં રહ્યા ?

દાદાશ્રી : બેભાનપણું ઓછું થઈ જાય ને ! જાગે એટલે તું જે કશું જાણતો હોય કે ‘હું શુદ્ધાત્મા છું’ એવું જ હોય ને !

મીઠું લાગ્યું, ત્યાં પડે માર

જાગૃતિ કોને કહેવાય કે ઊંઘતો નથી, એને જાગૃતિ કહેવાય. જાગૃતિ હોય તો ચોર પેસી ના જાય.

પ્રશ્નકર્તા : તો આ બધા દોષો પણ પોતાના દેખાવા જોઈએ ને ?

દાદાશ્રી : દેખાય ને !

પ્રશ્નકર્તા : અહંકાર પણ દેખાવો જોઈએ ને ?

દાદાશ્રી : એય દેખાય છે ને !

પ્રશ્નકર્તા : તો પછી એને પડી જવાનું શું કારણ હોય ?

દાદાશ્રી : એ અહંકાર જ ખોરાક લઈ જાય આ બધો. આ ગર્વરસ કરાવે છે ને, તે અહંકાર જ આ બધું કરાવડાવે આપણી પાસે, કે ‘આ તો બહુ સારું છે, બહુ સારું છે, લોકોને ગમ્યું.’

પ્રશ્નકર્તા : આ અહંકારનો રસ જે વધારે ચાખી જાય, એને લીધે પાછું આવું પડવાનું થાય ને ?

દાદાશ્રી : હાસ્તો ને ! આ તો બધી મીઠાશ આવે. જેમ આ લોક કહે છે ને, ‘આ મેં કર્યું.’ તે કર્યાનો ગર્વ ઉત્પન્ન થાય છે. કમાયો ત્યાં સુધી ગર્વરસ ઉત્પન્ન થાય છે અને ખોટ જાય ત્યારે શું કહે છે ? ‘ભગવાને કર્યું.’ મેર ગાંડિયા, કમાવવાનો થયો ત્યારે ‘મેં કર્યું’ કહેતો હતો. આ ગર્વરસ ઉત્પન્ન થાય, તે ઘડીએ મીઠાશ લાગે. જ્યાં મીઠું લાગે ને, ત્યાં જાણવું કે આ માર પડવાનો થયો.

મીઠા રસથી બંધાય કર્મો

એટલે કર્તા ખરેખર નથી આપણે. કર્તા બીજી જ વસ્તુ છે. આ આપણે આરોપ કરીએ છીએ, આરોપિત ભાવ કરીએ છીએ કે ‘હું કરું છું આ.’ એનો ગર્વરસ ચાખવાનો મળે. એવો ગર્વરસ તો બહુ મીઠો લાગે પાછો અને તેથી કર્મ બંધાય. ગર્વરસ ચાખ્યો, આરોપિત ભાવ કર્યો કે કર્મ બંધાયું.

હવે જેમ છે એમ જાણીએ કે ભઈ, આ કર્તા આપણે નથી ને આ તો ‘વ્યવસ્થિત’ કરે છે, ત્યારથી આપણે છૂટા થઈએ. એવું વિજ્ઞાન હોવું જોઈએ આપણી પાસે. પછી રાગ-દ્વેષ જ ના થાય ને ! આપણે હવે છીએ જ નહીં ‘આ’, એવું વિજ્ઞાનથી જણાય. આ હું જે બોલું છું, તે આ મારું વિજ્ઞાન નથી. આ વીતરાગ વિજ્ઞાન છે ! ચોવીસ તીર્થંકરોનું વિજ્ઞાન છે! અને વીતરાગ વિજ્ઞાન સિવાય શી રીતે વાતને પામે માણસ ?

પ્રશ્નકર્તા : આપની ‘થીયરી’ પ્રમાણે તો ‘વ્યવસ્થિત’ ચલાવે છે, તોય ગર્વરસ થયા જ કરે ને, એનામાં ?

દાદાશ્રી : ના, ગર્વ થાય જ નહીં ને ! ગર્વ તો, જ્યાં સુધી ‘હું ચંદુભાઈ છું’ એવું ‘ડિસાઈડ’ થાય ત્યાં સુધી જ ગર્વ છે. ‘રોંગ બિલીફ’ છે ત્યાં સુધી ગર્વ છે અને ‘રોંગ બિલીફ’ ગઈ એટલે ગર્વ રહેતો જ નથી.

પ્રશ્નકર્તા : ‘રોંગ બિલીફ’ તો જતી નથી ને, જલદી ?

દાદાશ્રી : ‘રોંગ બિલીફ’ જતી જ રહે ને ! અમે એ કાઢી આપીએ છીએ. બધા કેટલાય જણની ‘રોંગ બિલીફ’ જતી રહી છે ને ! અને તે ‘રોંગ બિલીફ’ એક જ નથી, પણ હું આનો ભઈ થઉં, આનો મામો થઉં, આનો કાકો થઉં, એવી કેટલી બધી ‘રોંગ બિલીફો’ બેઠી છે !

(પા.૮)

પ્રશ્નકર્તા : જ્યાં સુધી સ્વરૂપનું ભાન ના કરાવો, ત્યાં સુધી એ ‘રોંગ બિલીફ’ જાય નહીં ને ?

દાદાશ્રી : ના જાય. એ ભાન આવવું જોઈએ. ‘હું ચંદુભાઈ નથી, ચંદુભાઈ તો ખાલી ડ્રામેટિક છે’ એવું ભાન આવવું જોઈએ. પછી અંદર સંયમ વર્ત્યા કરે. અને અંદરનો, આંતરિક સંયમ વર્ત્યો એટલે પછી ગર્વરસ ના ચાખે. સંયમનું સુખ એટલું બધું ઉપજે કે એને ગર્વરસ ચાખવાની જરૂર જ ના પડે. આ તો એને સુખ નથી, તેથી એ ગર્વરસ ચાખે છે. કોઈ પણ જાતનું સુખ ના હોય ત્યારે આવું આ સુખ તો ખરું જ ને !

સંસારના સુખો તો રોંગ બીલિફથી છે. આ જો જ્ઞાન થાત ને તોય કંઈક ચાલત, પણ આ તો રોંગ બીલિફથી આગળ ખસતો જ નથી ! વિવરણપૂર્વક એ સુખોને જુએને તોય એ કલ્પિત સુખ સમજાય, પણ આ તો રોંગ બીલિફ જાય નહીં ત્યાં સુધી એમાં સુખ લાગે.

અહંકારનો રસ ખેંચી લો

મૂળ વસ્તુ પામ્યા પછી હવે અહંકારનો રસ ખેંચી લેવાનો છે. કોઈ રસ્તે ચાલતા કહે, ‘અરે, તમે અક્કલ વગરના છો, સીધા ચાલો.’ એ વખતે અહંકાર ઊભો થાય. તે અહંકાર સહેજે તૂટી જાય, ખેંચાઈ જાય, રીસ ચઢે. એમાં રિસાવાનું ક્યાં રહ્યું ? આપણને હવે રીસ ચઢવા જેવું રહેતું જ નથી. અહંકારનો જે રસ છે તે ખેંચી લેવાનો છે.

બધાને અપમાન ના ગમે. પણ અમે કહીએ છીએ કે એ તો બહુ હેલ્પિંગ છે. માન-અપમાન એ તો અહંકારનો કડવો-મીઠો રસ છે. અપમાન કરે તે તો તમારો કડવો રસ ખેંચવા આવ્યો કહેવાય. ‘તમે અક્કલ વગરના છો’ એમ કહ્યું એટલે એ રસ સામાએ ખેંચી લીધો. જેટલો રસ ખેંચાયો એટલો અહંકાર તૂટ્યો અને એ પણ વગર મહેનતે બીજાએ ખેંચી આપ્યો. અહંકાર તો રસવાળો છે. જ્યારે અજાણતા કોઈ કાઢે ત્યારે લહાય બળે. એટલે જાણીને સહેજે અહંકાર કપાવા દેવો. સામો સહેજે રસ ખેંચી આપતો હોય એના જેવું તો વળી બીજું શું ? સામાએ કેટલી બધી હેલ્પ કરી કહેવાય !

જેમ તેમ કરીને બધો જ રસ ઓગાળી નાખે એટલે ઉકેલ આવે. અહંકાર તો કામનો છે, નહીં તો સંસાર વ્યવહાર ચાલશે કેમ ? માત્ર અહંકારને નિરસ બનાવી દેવાનો છે. આપણને જે ધોવાનું હતું તે બીજાએ ધોઈ આપ્યું, એ જ આપણો નફો. અમે જ્ઞાની પુરુષ અબુધ હોઈએ અને જ્ઞાની પાસે એટલી બધી શક્તિ હોય કે તે જાતે જ અહંકારનો રસ ખેંચી નાખે. જ્યારે તમારી પાસે એવી શક્તિ ના હોય, એટલે તમારે તો કોઈ તમારો અહંકારનો રસ સામેથી અપમાન કરી ખેંચવા આવે તો રાજી થવું જોઈએ. કેટલી બધી મહેનત તમારી બચી જાય અને તમારું કામ થઈ જાય ! આપણે તો નફો ક્યાં થયો એ જ જોવાનું. આ તો ગજબનો નફો થયો કહેવાય !

અહંકારનો સ્વભાવ છે કે નાટકીય બધું જ કામ કરી આપે, જો તમારો કડવો-મીઠો રસ નિરસ થઈ ગયો હોય તો ! અહંકારને મારવાનો નથી, નિરસ કરવાનો છે.

‘જ્યારે અપમાનનો ભય નહીં રહે ત્યારે કોઈ અપમાન નહીં કરે’ એવો નિયમ જ છે. જ્યાં સુધી ભય છે ત્યાં સુધી વેપાર. ભય ગયો એટલે વેપાર બંધ. તમારા ચોપડામાં માન અને અપમાનનું ખાતું રાખો. જે જે કોઈ માન-અપમાન આપે તેને ચોપડામાં જમે કરી દો, ઉધારશો નહીં. ગમે તેટલો મોટો કે નાનો કડવો ડૉઝ કોઈ આપે તે ચોપડામાં જમે કરી લો. નક્કી કરો કે મહિનામાં સો જેટલા અપમાન જમે કરવા છે. તે જેટલા વધારે આવશે, તેટલો વધારે નફો. ને સોને બદલે સિત્તેર મળ્યા તો ત્રીસ ખોટમાં. તે બીજે મહિને એકસો ત્રીસ જમે કરવાના. જો ત્રણસો અપમાન જેને ચોપડે

(પા.૯)

જમા થઈ જાય, તેને પછી અપમાનનો ભય ના રહે. એ પછી તરી પાર ઊતરી જાય. પહેલી તારીખથી ચોપડો ચાલુ જ કરી દેવાનો. આટલું થાય કે ના થાય ?

કડવા ઉપર દ્વેષ ને મીઠા પર રાગ થાય એ અજ્ઞાનતાનો સ્વભાવ છે. અજ્ઞાન જાય તો કડવું-મીઠું ના રહે.

કડવું ફળ મીઠું છે અને મીઠું કડવું છે એવું જો સમજી જઈશ ત્યારે મોક્ષે જઈશ !

કડવું પીવે તે નીલકંઠ

પ્રશ્નકર્તા : દાદા, કોઈ કડવા શબ્દો કહે તો તે સહન નથી થતા, તો શું કરવું મારે ?

દાદાશ્રી :જો તેનો તને ખુલાસો કરું. આ રસ્તા વચ્ચે કાંટો પડ્યો હોય ને હજારો માણસો નીકળે પણ કાંટો કોઈને વાગે નહીં, પણ ચંદુભાઈ જાય તો કાંટો આડો હોય તોય એવો વાગે કે પંજામાંથી સોંસરો ઉપર આવે! કડવાનો સ્પર્શ થવો એ હિસાબી હોય છે. અને કડવાનો સ્પર્શ થાય તો માનવું કે આપણા કડવાની રકમમાંથી એક ઓછી થઈ. જેટલું કડવું સહન કરશો એટલા કડવા તમારા ઓછા થશે. મીઠું પણ સ્પર્શ થાય ત્યારે એટલું ઓછું થાય છે. પણ આ કડવું સ્પર્શ થાય છે ત્યારે નથી ગમતું. આ ઓછું થાય છે તોય કડવું કેમ નથી ગમતું ? પેલાને કહીએ કે કડવું ફરી આપ ને, તોય એ ના આપે. આ તો કોઈના હાથમાં સત્તા જ નથી. બધું જ ગણતરીબંધ છે, સિલક સાથે છે, કશું ગપ્પું નથી. મર્યા સુધીનું બધું જ ગણતરીબંધ છે. આ તો હિસાબ પ્રમાણે હોય કે આના તરફથી ૩૦૧ આવશે, પેલા પાસેથી ૨૫ આવશે, આની પાસેથી ૧૦ આવશે. ‘જ્ઞાન’ જો હાજર રહેતું હોય તો કશું જ સહન કરવું ના પડે. આ તો બધું રીલેટિવ રીલેશન છે. કડવું-મીઠું બધું જ હિસાબથી મળે છે. રોજ કડવું આપનાર એક દા’ડો એવું સુંદર આપી દે છે ! આ બધા ઋણાનુબંધી ઘરાક-વેપારીના સંબંધો છે !

અમારે પણ કડવા પ્યાલા આવેલા ને ! અમે પીધા ને પૂરા પણ થઈ ગયા ! જે કોઈએ કડવું આપેલું તે અમે ઉપરથી આશીર્વાદ આપીને પી લીધું ! તેથી જ તો અમે મહાદેવજી થયા છીએ !

પ્રશ્નકર્તા : આ કર્મ ખપાવવા એને જ કહે છે ?

દાદાશ્રી : એ જ કે કડવી ભેટો આવે ત્યારે સ્વીકારી લેવી. પણ આ કડવી ભેટ-સોગાદો આવે ત્યારે કહે કે ‘અલ્યા, તું શું કરવા મને આમ કરે છે !’ તો એનાથી કર્મ ના ખપે, નવો વેપાર શરૂ થાય. જેને સ્વરૂપનું ભાન છે એટલે કે જેને આ દુકાન કાઢી નાખવાની છે, તે ઉકેલ લાવી નાખે. જેને સ્વરૂપનું ભાન નથી, એને તો વેપાર ચાલુ જ છે, દુકાન ચાલુ છે.

સામો કડવું આપે ત્યારે એ કયા ખાતાનું છે એ ના જાણીએ ત્યાં સુધી એ ના ગમે. પણ ખબર પડે કે ‘ઓહો ! તે આ ખાતાનું છે !’ એટલે એ ગમે. ‘દાદા’ને રકમ જ ખલાસ થઈ ગઈ છે, એટલે કડવું કોણ આપે ? આ તો એ રકમ જ્યાં સુધી સિલકમાં હોય ત્યાં સુધી જ આપવા આવે !

જાગૃતિ જન્મે કડવાશમાંથી

જો સામો કડવું પાય ને તમે હસતે મોઢે આશીર્વાદ આપીને પી જાવ તો એક બાજુ તમારો અહંકાર ધોવાય ને તમે એટલા મુક્ત થાવ ને બીજી બાજુ સામાવાળાને, કડવું પાનારાને પણ રીએક્શન આવે અને એ પણ ફરી જાય. એને પણ સારું રહે. એય સમજી જાય કે કડવું પાઉ છું તે મારી નિર્બળતા છે અને આ હસતે મોઢે પી જાય છે તે ભારે શક્તિશાળી છે.

આપણે જો જાતે કડવું પીવાનું કહ્યું હોય તો

(પા.૧૦)

આપણે જાતે ઓછા પીએ ? આ તો સામેથી કડવું પાય એ તો કેટલું બધું ઉપકારી ? પીરસનાર તો મા કહેવાય. પાછું લીધા વગર ચાલે તેમ નથી. નીલકંઠ થવા કડવું પીવું પડશે.

‘આપણે’ તો ‘ચંદુભાઈ’ને કહી દઈએ કે તારે સો વખત આ કડવું પીવું પડશે. બસ પછી એ ટેવાઈ જાય. કડવી દવા બાળકને જબરજસ્તીથી પીવડાવવી પડે. પણ જો એ સમજી જાય કે આ હિતનું છે એટલે પછી જબરજસ્તીથી પીવડાવવું ના પડે, એની મેળે જ પી લે. એક વખત નક્કી કર્યું કે જે જે કોઈ આપે તે બધું જ કડવું પી લેવું છે એટલે પછી પીવાય. મીઠું તો પીવાય જ પણ કડવું પીતા આવડવું જોઈએ. જ્યારે ત્યારે તો પીવું જ પડશે ને ? આ તો પાછો નફો છે, તો પીવાની પ્રેક્ટિસ કરી લેવી જોઈએ ને ?

જો બધા વચ્ચે ઉતારી પાડે તો ખોટ લાગે પણ એમાં તો ભારે નફો છે. એ સમજાય પછી ખોટ ના લાગે ને !

‘હું શુદ્ધાત્મા છું’ બોલો તો છો, તો પછી એવા જ પદમાં રહેવું છે ને ? એના માટે તો અહંકાર ધોવડાવવો પડશે. તનતોડ મહેનત કરી નિશ્ચય કરો એટલે ધોવાય જ.

એક વાઘરીને રાજા બનાવ્યો હોય અને ગાદી પર બેઠા પછી જો એમ કહે કે ‘હું વાઘરી છું’, તે કેવું કહેવાય ? ‘શુદ્ધાત્મા’નું પદ પામ્યા પછી બીજું હવે આપણને ના હોય.

કડવા-મીઠા અહંકારના પદમાંથી તમારે ખસવું છે ને ? પછી એમાં પગ શા માટે રાખો છો ? નક્કી કર્યા પછી બન્ને બાજુ પગ રખાય ? ના રખાય. રિસાવાનું ક્યારે બને ? જ્યારે કોઈકે કડવું પીરસ્યું હોય ત્યારે. આપણે વિધિ વખતે બોલીએ છીએ કે ‘હું શુદ્ધાત્મા છું,’ તો પછી શુદ્ધાત્માનું રક્ષણ કરવાનું કે બીજી બાજુનું ? અહંકારને જાતે નિરસ કરવો બહુ કઠિન કામ છે. એથી જો કોઈ નિરસ કરી આપતો હોય તો બહુ સારું. એનાથી અહંકાર નાટકીય રહે અને અંદરનું બહુ સારું ચાલે. આટલું બધું નફાવાળું છે તો અહંકારને નિરસ બનાવવા માટે હસતે મુખે જ શા માટે ના પીએ ? અહંકાર સંપૂર્ણ નિરસ થાય એટલે આત્મા પૂરો. એટલું નક્કી કરો કે અહંકાર નિરસ કરવો જ છે. એટલે એ નિરસ થયા જ કરશે.

આ કડવી દવા જો સદી જાય તો બીજો ડખો જ ના રહે ને ! અને પાછા તમે હવે જાણી ગયા કે આ નફાવાળો છે ! જેટલો મીઠો લાગે છે એટલો જ કડવો ભરેલો છે. માટે કડવો પહેલાં પચાવી જાવ. પછી મીઠો તો સહેજે નીકળે. એને પચાવવાનું બહુ ભારે નહીં લાગે. આ કડવી દવા પચી એટલે બહુ થઈ ગયું ! ફૂલો લેતી વખતે સહુ કોઈ હસે પણ ઢેખાળા પડે ત્યારે ?

જગત જીતાય હારીને

આ એમને કો’ક હરાવનાર મળે, ‘તમારામાં અક્કલ નથી’, આમતેમ બે-ચાર શબ્દ બોલે ને એટલે તરત ‘હું શુદ્ધાત્મા છું’ એ જાગૃત થઈ જાય. બધા લોકો ‘આવો, આવો, આવો’ કહે એટલે પછી જાગૃતિ ના આવે. કડવાશ દહાડામાં બે-ચાર વખત આવે તો જાગૃતિ રહે.

આ ‘જ્ઞાન’ પછી તમને નિરંતર શુદ્ધાત્માનું ધ્યાન રહે. એટલે રોજ સાંજે આપણે પૂછવું, કે ‘ચંદુભાઈ છીએ કે શુદ્ધાત્મા ?’ તો કહેશે કે ‘શુદ્ધાત્મા !’ તો આખો દહાડો શુદ્ધાત્માનું ધ્યાન રહ્યું કહેવાય.

પ્રશ્નકર્તા : આપણે આવું કહીએ ત્યારે લોક આપણને ગાંડા કહેશે.

દાદાશ્રી : ગાંડા કહેશે તો ‘ચંદુભાઈ’ને ગાંડા કહેશે, તમને તો કોઈ કહે જ નહીં. તમને

(પા.૧૧)

તો ઓળખે જ નહીં ને ! ‘ચંદુભાઈ’ને કહે, તો ‘આપણે’ કહીએ કે ‘ચંદુભાઈ, તમે ગાંડા હશો તો કહેશે અને તમે નહીં હો ને કહેશે તો એની જોખમદારી. એ પછી તમારી જોખમદારી નહીં.’

પ્રશ્નકર્તા : આપણને કોઈ કશું કહે, ગાંડા કહે, અક્કલ વગરના કહે, તો ગમે નહીં.

દાદાશ્રી : એવું છેને, આપણે હસવું હોય તો લોટ ના ફકાય ને લોટ ફાકવો હોય તો હસાય નહીં. બેમાંથી એક રાખો. આપણે મોક્ષે જવું છે, તે લોક ગાંડાયે કહેશે ને મારેય ખરા, બધુંય કરે. પણ આપણે આપણું છોડી દેવાનું. એટલે આપણે કહી દઈએ, ‘ભઈ, હું તો હારીને બેઠો છું.’ અમારી પાસે એક ભાઈ આવેલા. મેં એમને કહ્યું, કે ‘‘તમારે હારીને જવું પડશે, એના કરતાં હું હારીને બેઠો છું. તું તારે ખઈને, નિરાંતે ઓઢીને સૂઈ જા ને ! તારે જોઈતું હતું, તે તને મળી ગયું. ‘દાદા’ને હરાવવાની ઈચ્છા છે ને ? તે હું પોતે કબૂલ કરું છું કે અમે હારી ગયા.’’

એટલે આમને ક્યાં પહોંચી વળાય ? આ તો બધી મગજમારી કહેવાય. આ દેહને માર પડે એ સારો, પણ આ તો મગજને માર પડે. એ તો બહુ ઉપાધિ !

જગતની મીઠાશ જોઈએ છે અને આ યે જોઈએ છે, બે ના થાય. જગતમાં તો હરાવવા આવે ને, તો હારીને બેસવું નિરાંતે. લોક તો એની ભાષામાં જવાબ આપશે. ‘મોટા શુદ્ધાત્મા થઈ ગયા છો ?’ એવી તેવી ગાળો હઉ ભાંડશે. કારણ કે લોકનો સ્વભાવ એવો છે. પોતાને મોક્ષે જવાનો માર્ગ મળ્યો નથી એટલે બીજાનેય જવા ના દે, એવો લોકનો સ્વભાવ ! આ જગત મોક્ષે જવા દે એવું છે જ નહીં. માટે આમને સમજાવીને-પટાવીને છેવટે હારી જઈનેય કહેવું, કે ‘અમે તો હારી ગયેલા છીએ.’ તો તમને છોડી દેશે.

આ લોક તો કોઈનેય ગાંઠતા નહોતા ને ! માટે આપણે સમજી જવું કે એ હરાવવા આવ્યા છે, ત્યાંથી જ કહેવું કે ‘ભઈ, હું તો હારીને બેઠો છું. તમે જીત્યા, હું તો તમારાથી હારી ગયો.’ એવું કહીએ એટલે એને ઊંઘ આવે, કે ‘મેં ચંદુભાઈને હરાવ્યા.’ એટલે એ સંતોષ માને !

‘મને કેમ આવું’ બોલતા... લીધો રસ

પ્રશ્નકર્તા : ઘણી વખત કોઈ આક્ષેપ મૂકે ત્યારે અહંકાર દુભાય, અહંકારને ઠેસ વાગે, ત્યારે સામાથી પોતાને દુભાય એની વાત કરું છું.

દાદાશ્રી : એ તો લેટ ગો કરવું. આપણો જો અહંકાર દુભાય તો તો સારું ઊલટું. આપણાથી એનો અહંકાર દુભાય તો તેની જવાબદારી આપણા ઉપર. પણ આ તો ઊલટું સારું, મહીં મોટામાં મોટું તોફાન મટ્યું!

પ્રશ્નકર્તા : તોય આપણને મહીં એ બધી સમજણ હોય કે આ અહંકાર દુભાય છે, એવોય ખ્યાલ હોય પણ તોય એ ઘવાયેલો અહંકાર દુઃખ આપે.

દાદાશ્રી : એ દુભાવે ત્યારે જાણવું કે આજ બહુ નફો થયો.

પ્રશ્નકર્તા : દાદા, એવું બધું ના રહે.

દાદાશ્રી : એ તો રહેશે, હમણાં નહીં રહે તો પછી રહેશે. જ્યારે ત્યારે તો એવું રહેશે જ ને ! અત્યારે તમને ટેવ નથી એટલે નથી રહેતું. ચા કડવી પીવાની ટેવ નથી ને, એટલે પછી એ જ્યારે કહેશે કે ઓહો ! આ તો એનો સરસ ટેસ્ટ છે, ચા જેવી છે, તો સારું લાગશે. આ તો પીધી નથી ને કડવી, એટલે પહેલેથી ના ફાવે પીવાનું. કારણ કે અહંકાર દુભવે તે તો સારું. મન દુભવે તે તો, એમાં બહુ નફો ના મળે. અહંકાર દુભવે એ તો બહુ નફાવાળું. આપણે કોઈનો અહંકાર

(પા.૧૨)

દુભવીએ તો એ બહુ ખોટ થઈ કહેવાય. આપણે છે તે ખોટ છે, એને કાઢવાની છે ને ! ના સમજણ પડી તમને ?

પ્રશ્નકર્તા : આપ કહો છો એ બધું એવું સમજણમાં છે, પણ તોય પેલું દુખ્યા કરે. એ ના દુખે એના માટે શું કરવાનું ?

દાદાશ્રી : એ તો એટલું ભોગવવાનું કર્મ લખેલું. અશાતા વેદનીય ભોગવવાની હોય ને, તો થયા કરે. તે એ ભોગવવાને આપણે જાણવું કે આ ભોગવે છે. આપણે મહીં રસ લીધો કે કર્મ ચોંટે !

પ્રશ્નકર્તા : રસ લીધો એટલે શું ?

દાદાશ્રી : ‘આ મને કેમ આવું થાય છે, મને કેમ આવું થાય છે? આવું કેમ કરે એ ?’ એ રસ લીધો કહેવાય. આવું આવે તો બહુ ગુણકારી માનવું કે ઓહોહો, આજ બહુ મોટામાં મોટી ખોટ ભાંગી !

પ્રશ્નકર્તા : દાદા, આ બધા બહારના એડજસ્ટમેન્ટ છે, કે તારો બહુ ઉપકાર છે કે મારે ખોટ ગઈ, બહુ સારું થયું, ભલું થજો.

દાદાશ્રી : હા. એ એડજસ્ટમેન્ટ થાય તો જ અંદરના એડજસ્ટમેન્ટ થાય, નહીં તો અંદરના એડજસ્ટમેન્ટ થાય નહીં ને ! બહારનું એડજસ્ટમેન્ટ લઈએ એટલે અંદરનું સોલ્યુશન થઈ જાય.

પ્રશ્નકર્તા : એ બહાર બધા એડજસ્ટમેન્ટ તો ખબર હોય, પણ એ પછી અમુક જ રીતે કામ આપે, પછી બુઠ્ઠા થઈ જાય.

દાદાશ્રી : તે આમ શરૂઆત કરતાં કરતાં પછી બિલકુલ ખલાસ થઈ જાય. હજુ પેલો ઈન્ટરેસ્ટ એટલે પેલું સહન ના થાય, રસ પડી જાય મહીં.

પ્રશ્નકર્તા : સહન ના થાય એવું નહીં, બીજાને ખબર પડે કે નાય પડે, પણ પોતાને મહીં અહંકાર દુખ્યા કરે.

દાદાશ્રી : એ દુખે તે જ ‘જોવાનું’ને આપણે. વધારે દુખે એ સારું. નફો બહુ સરસ થયો. ત્યાં દુઃખીને ખલાસ જ કરવાનો ને ! એ તો બિલકુલ નફા-ખોટ વગરનો જ થઈ જવાનો ને ! ખોટે નહીં ને નફોય નહીં, તો બહુ સારું કહેવાય.

પ્રશ્નકર્તા : આમ હકીકત છે કે ખાલી આશ્વાસન આપવા માટે છે? અહંકારને આવું કહીએ ને તો એ કહે કે આ બધા આશ્વાસન છે.

દાદાશ્રી : ત્યારે બીજું શું છે ? આશ્વાસન ના હોય તો બીજું શું આપીએ ?

પ્રશ્નકર્તા : સોલિડ જોઈએ છે એને તો.

દાદાશ્રી : સોલિડ જ છે ને ! આપણે ચંદુભાઈને કહીએ, ‘તમારે લેવું હોય તો લ્યો, નહીં તો અમે તો આ રહ્યા ! તમારી ખોટ તમને વધશે, અમારે શું વાંધો ?’ એટલે આ જ આશ્વાસન, ત્યારે બીજું શું કહેવાય? આપણે કંઈ એના સામું ઝેર પીએ ? એને પીવું હોય તો પીવે.

અમે તો આ બધું જગત જોઈ નાખેલું આવું. મને તો ઊલટું આનંદ થાય આવું આવે તો.

પ્રશ્નકર્તા : સોલ્યુશન નથી મળતું. શું પૂછું ? મને જોઈએ એવું નથી મળતું.

દાદાશ્રી : ના, એ નહીં મળે તો એની મેળે જ ઠેકાણે આવશે.

પ્રશ્નકર્તા : એની મેળે ઠેકાણે આવશે એમ તો કંઈ ના કહેવાય, દાદા. એની મેળે ઠેકાણે આવશે એ તો કેવી રીતે ? એનો તો કંઈ અર્થ જ નહીં ને? એ તો બેસી રહેવાનું ને ?

દાદાશ્રી : બેસી રહેવું એ જ ઉત્તમ. એને ‘જોયા’ કરવાનું.

(પા.૧૩)

પ્રશ્નકર્તા : પણ મહીં અહંકાર બળ્યા કરે તેનું શું ?

દાદાશ્રી : જેમ બળે તેમ ઓછો થતો જાય. આપણે બધું ઓછું જ કરવું છે ને ! લાકડું બાળી નાખવું છે, તેમાં જેટલું બળ્યું એટલું ઓછું. બીજું બળતું હોય તો સારું ઊલટું. ‘જોયા’ કરવું. બાળવાનું જ છે ને !

પ્રશ્નકર્તા : પણ થોડું પોતે મહીં પછી બળવા માંડે... પેલું બળતું હોય ત્યારે પછી એની ઝાળ પોતાને લાગે ને, દાદા ?

દાદાશ્રી : એ ઝાળ લાગે તે આપણે જાણવું જોઈએ ને કે ભઈ, આવડો મોટો ભડકો થયેલો, તે ઝાળ લાગે. ખસી જવું ઝાળ લાગે એટલે. કારણ કે આત્મા એવો છે એને ઝાળ અડતી જ નથી. એ મનમાં માને કે મને ઝાળ અડી, એ તો ખોટું છે. અડી એવું દેખાય ખરી, પણ એને સ્પર્શ નથી કરતી. એને દુઃખ નથી આપતી. એને એમેય લાગે કે મને બાળી મેલ્યો. પણ કશું અડે નહીં એવો આત્મા છે. સો ટકા ગેરન્ટી એની. આવો સરસ આત્મા આપ્યો પછી આવી બધી વાત જ ક્યાં રહી તે ! આપણે જેટલી ખોટ ખઈએ એટલી જાય.

પ્રશ્નકર્તા : દાદા, જે આત્મા આપ્યો છે ને, એનો પૂરેપૂરો અનુભવ આમ કેવી રીતે આખો દિવસ રહે ?

દાદાશ્રી : હા. પણ અવળો રહેતો હતો, તે સવળો રહેવા માંડ્યો એટલે આપણે પૂછી પૂછીને આગળ ચાલવા માંડીએ ને ! પેલું પાંચસોની ખોટવાળું હોય તે નિકાલ આવી ગયો પણ જેમાં પાંચ હજારની ખોટ ગઈ હોય એ વાર લાગે, તે આપણે જોયા જ કરવું પડે ને !

પ્રશ્નકર્તા : બરાબર છે.

દાદાશ્રી : જેના ઉપર ભાવ હતો, તેની ઉપર જ અભાવ કરવાનો છે. એટલે અભાવ રહેતો હોય તો આપણે જાણવું કે અહીં ભાવ બહુ રહેતો હતો, તેનું આપણને કડવું મળે છે.

એ પક્ષમાં બેસીએ એટલે સમજાય નહીં. સ્વતંત્ર થવું હોય તો એ બધું સમજી જવાય એવું છે. એના પક્ષને આપણે કામ જ શું છે ? નહીં લેવા, નહીં દેવા.

પ્રશ્નકર્તા : દાદા, છૂટવું છે પણ છૂટાતું નથી.

દાદાશ્રી : બળ્યું છૂટવું છે પણ છૂટાતું નથી તે એ તો તમે જાણો છો ને, તો એની મેળે જ ધીમે ધીમે આપણે એની પાછળ કર્યા કરશો તો છૂટી જશે. આપણે જાણવું જોઈએ કે અહીં આગળ આ પટ્ટી ચોંટેલી તે ઉખડતી નથી. પાણી ચોપડીએ, બીજું ચોપડીએ, એમ કરતાં કરતાં ઉખડશે. ઉખડ્યા વગર છૂટકો જ નથી ને !

પ્રશ્નકર્તા : તો આશા રાખીને બેસી રહેવાનું ?

દાદાશ્રી : આશા રાખવાની જ નહીં, બેસી રહેવાનું જ નહીં. આપણે ‘જોયા’ કરવાનું છૂટતું નથી તે. આશા વળી કોણે રાખવાની ? આશા હોય નહીં આત્માને. આ તો કંઈ એક જ કલાકમાં બધી ખોટ જાય ? અનંત અવતારની ખોટ, તે બે-ત્રણ અવતાર જશે ને ! આ પહેલાં તો લાખ અવતારેય ના જાય, એ દાદાના જ્ઞાનથી આટલું સરળ થઈ પડ્યું. તે ઊલટું દાદાના જ્ઞાનનું એ બોલવું જોઈએ કે ધન્ય ભાગ્ય ! મને આ જ્ઞાન પ્રાપ્ત થયું અને દાદા ભેગા થયા !

માન આપે એની સામે ઉપાય

પ્રશ્નકર્તા : દરેક બાબતની આ ભીખ પડેલી છે મહીં. હવે જે ભીખ છે એ જાય કઈ રીતે? અયાચક દશા પ્રાપ્ત કરવી છે.

દાદાશ્રી : અયાચકપણું તો જવા દો ને, પણ

(પા.૧૪)

ભીખ છૂટે તોય બહુ થઈ ગયું. આ ભીખ તો હવે આપણે કોઈના કમ્પાઉન્ડમાં થઈને જતા હોઈએ ને એ માણસ ગાળો દે એવો હોય તો રોજ ત્યાં થઈને જવું, રોજ ગાળો ખાવી. પણ ઉપયોગપૂર્વક સહન કરવું જોઈએ. નહીં તો એને એ ટેવ પડી જાય પેલી, લીહટ થઈ જાય !

પ્રશ્નકર્તા : ઉપયોગપૂર્વક સહન કરવું એટલે શું ?

દાદાશ્રી : આપણી બેનને ઉઠાવી ગયેલો હોય, તે ઉઠાવી ગયેલો હોય તેની ઉપર પ્રેમ હોય આપણને ? શું હોય ?

પ્રશ્નકર્તા : દ્વેષ હોય.

દાદાશ્રી : તે ઊંઘમાં હોય કે ઉપયોગપૂર્વક હોય ? હંડ્રેડ પરસેન્ટ ઉપયોગપૂર્વક હોય, બિલકુલ ઉપયોગપૂર્વક હોય.

પછી ચોરી કરવા જાય તે ઉપયોગપૂર્વક જાગૃતિ રાખી હશે કે ઊંઘતો હશે ?

પ્રશ્નકર્તા : ઉપયોગપૂર્વક હોય.

દાદાશ્રી : માટે ઉપયોગ સમજી જાવ. અહીં તો ઉપયોગવાળા કામમાં લાગે. કોઈ અપમાન કરે ત્યારે મોઢું બગડી ગયું છે, એવી ખબર પડે તો નફો-ખોટ ના જાય. નો લોસ, નો પ્રોફિટ ! અને બહાર મોઢું બગડ્યું તો ખોટ જાય. કોને ખોટ જાય ? પુદ્ગલને, આત્માને નહીં. અને બહાર મોઢું બગડ્યું નહીં, ક્લિયર રહ્યું એટલે આત્માને આનંદ રહ્યો. આત્માનો નફો થાય ને !

પ્રશ્નકર્તા : મોઢું બગાડ્યું તો પુદ્ગલને શું ખોટ જાય ?

દાદાશ્રી : પુદ્ગલને તો ખોટ ગયેલી જ ને !

પ્રશ્નકર્તા : પણ જાગૃતિપૂર્વક રહ્યા તો એનું મોઢું ના બગડ્યું.

દાદાશ્રી : કેટલાક અપમાન થયું કે એનું જો આજે મોઢું ચઢી જાય તો પોતાને ખબર પડે. હું પૂછું પછી કે ‘તને પોતાને ખબર પડી છે ?’ ત્યારે કહે, ‘હા, પડી છે.’ પણ શી રીતે સમું કરે? છતાં એ સમું કરવું. છેવટે સહજ કરવાનું છે. એ સહજ તો બહુ ટાઈમથી સાંભળતો સાંભળતો આવે ત્યારે સહજ થતો આવે.

પ્રશ્નકર્તા : ગાળો ભાંડતો હોય તો એના કમ્પાઉન્ડમાં ફરીથી જવું, પણ શું કરવા જવું જોઈએ ?

દાદાશ્રી : આપણે વેચાતો ભાડે લાવીએ ને, તો ગાળો ભાંડે નહીં. અને ભાડે લાવેલું ભાંડે તો અસર ના થાય. એમાં ભલીવાર ના આવે. એ કુદરતી રીતે ગાળો ભાંડતો હોય ને, તો ઉત્તમ શક્તિ આવે ને ! એટલે એવી શક્તિ કાચી રહેતી હોય તો તમારે લેવાની જરૂર.

પ્રશ્નકર્તા : અપમાનની સામે ઉપયોગ બતાવ્યો આપે હમણાં, એ અમે સમજ્યા, પણ માનની સામે જે ઉપયોગ છે એ બાબતમાં થોડું પ્રકાશ પાડો.

દાદાશ્રી : માન આપે ત્યારે તો ઉપયોગપૂર્વક એટલે શું કે આ માન કોને આપે છે એ જાણવું જોઈએ. મને નહીં, આ તો મારા પાડોશીને માન આપે છે, પુદ્ગલને આપે છે.

પ્રશ્નકર્તા : માન આપે ત્યારે મીઠું લાગે ને આપણને ! એટલે મીઠાઈની જેમ મારી પાડે છે આપણને એ !

દાદાશ્રી : પુદ્ગલનું કહ્યું એટલે આપણને અડ્યું નહીં ને! લેવા-દેવા નહીં ને આપણે. માન-અપમાન તે પુદ્ગલને આપે છે, આપણને નહીં, એનું નામ જાગૃતિપૂર્વક, ઉપયોગપૂર્વક. ચંદુભાઈને

(પા.૧૫)

માન આપે છે, એમાં તમને શું લેવાદેવા ? એટલે માન-અપમાન આપે તો એને માથે ઘાલી દેવું. તો હિતકારી થઈ પડે, નહીં તો હિતકારી થાયનહીં.

પ્રશ્નકર્તા : હવે આપણને માન આપે છે એની જગ્યાએ આપણે એવું રાખીએ કે આ દાદાને માન આપે છે, આત્માને માન આપે છે, તો ?

દાદાશ્રી : ના, એવું નહીં. એ ચંદુભાઈને આપે છે એવું જાણવું જોઈએ. દાદાને લેવાદેવા શું છે ? દાદાને માનની જરૂર જ નહીં ને ! આત્માને માનની જરૂર જ નથી. આ બધા તાળા મળવા જોઈએ. એમાં સહમત થવું જોઈએ, એનું નામ તાળો. તાળો સહમતથી જ હોય. આપણને ખબર પડે કે આ ભૂલ થાય છે !

જગતને ભાવતું છે એ આપે તમને. પણ તમને એ ટેવ પડવી ના જોઈએ. માન આપે તોય નહીં, અપમાન આપે તોય નહીં. અપમાન કરવા માટે માણસ રાખો તો એની મજા આવે ?

પ્રશ્નકર્તા : ના, એ મજા ના આવે.

દાદાશ્રી : અને નાટકમાં ગાળો ભાંડે તો એની અસર થાય ? ‘તું નાલાયક છું, તું આમ છું, ચોર છું, બદમાશ છું’ એમ કહે તો અસર થાય? ના થાય. કારણ કે ગોઠવણી કરેલી છે.

અસરમાં શું થાય કે કોઈ ગાળ ભાંડે તો ‘આ મને આવું બોલ્યા જ કેમ ?’ એમ થાય. ‘એ’ અવળા દેખાય તો કહેવું, કે ‘એ તો સારામાં સારા માણસ છે, તું જ ખોટો છે.’ એમ ગુણાકાર થઈ ગયો હોય તો ભાગાકાર કરી નાખવો ને ભાગાકાર થઈ ગયો હોય તો ગુણાકાર કરી નાખવો. આ ગુણાકાર-ભાગાકાર શાથી શીખવે છે ? સંસારમાં નિવેડો લાવવા માટે.

એકલા ગુણાકાર હોય તો ક્યાં પહોંચે ? એટલે આપણે ભાગાકાર કરવા. સરવાળા-બાદબાકી નેચરને આધીન છે, જ્યારે ગુણાકાર-ભાગાકાર મનુષ્યના હાથમાં છે. આ અહંકારથી સાતનો ગુણાકાર થતો હોય તો સાતથી ભાગી નાખવાનો એટલે નિઃશેષ.

કુટેવના લીધે વર્તે મીઠાશ

આ ગુણાકાર-ભાગાકારની રીત તમને કહી, સમજાઈ ?

પ્રશ્નકર્તા : ખ્યાલ આવ્યો પણ તમે જરીક સમજાવો બરાબર, ફરી બરાબર સમજાવો. ગુણાકાર-ભાગાકાર એટલે નફો-તોટો ?

દાદાશ્રી : આ જે સરવાળા-બાદબાકી થાય છે, એ નેચરલ એડજસ્ટમેન્ટ્સ છે બધા. તે હવે એમાં લોકો ઉપાધિ કરે છે, બેંકમાં હતું તે ખલાસ થઈ ગયું. બેંકમાં ભરાય છે, તે અહંહંહંહં કર્યા કરે છે અને જ્યારે ટાઢી પડે ત્યારે ઉઉઉઉ કર્યા કરે. અને રાતે ગુણાકાર-ભાગાકાર કરે છે. ‘હવે બે મોટેલો લીધી, ત્રીજી લઈએ અને પછી એક બીજી ચોથી લઈશું.’ શું ?

પ્રશ્નકર્તા : હા, હા, બરાબર. તો એ લોભ કહેવાય ?

દાદાશ્રી : નહીં, લોભ નહીં. ગુણાકાર-ભાગાકાર કરવાની ટેવ આ તો બધી અનાદિથી. કંઈ લોભિયો છે એ એવું કરે છે એવું નહીં, ટેવ જ એને આવી, કટેવ પડેલી. તે ઉપયોગ બીજી જગ્યાએ વાપરીશ નહીં. તે આ બધો ઉપયોગ આમાં વાપરે. પછી પાછા ભૂંસીને સૂઈ જાય પાછા. ‘આ બધું ખોટું થયું’ એમ કરીને, હોં કે.

‘આ બધું ખોટું થયું’ એમ કરીને પાછો ભૂંસીને સૂઈ જાય કે બળ્યું આમાં ટાઈમ ક્યાં બગાડ્યો ? પણ પેલી મીઠાશ છે ને તે વર્ત્યા કરે.

પ્રશ્નકર્તા : એ મીઠાશ શેના આધારે વર્તે છે, દાદા ?

(પા.૧૬)

દાદાશ્રી : એ પહેલાની જે કુટેવ પડેલી છે, તે આટલું પીતા’તા તેના બદલે આટલું પણ થોડુંક લઈએ, કહેશે.

પ્રશ્નકર્તા : તો એ ભૂંસાડવા માટે શું કરવું ?

દાદાશ્રી : આપણા જ્ઞાનમાં એક્ઝેક્ટ થઈ જઉને એટલે ધીમે ધીમે ઓછું જ થઈ જાય અને ફરી એનો બચાવ નહીં કરવો જોઈએ કોઈ દહાડો. ગમે તેવા આપણા અપમાન થતા હોય તોય બચાવ નહીં કરવો જોઈએ.

પ્રશ્નકર્તા : એટલે અપમાન સહન કરતા શીખી જવું જોઈએ, એમ?

દાદાશ્રી : અપમાન સહન કરવાની શક્તિ આવશે, એ માન જશે ત્યારે. ક્રોધ એ ગુરખો છે. ‘માને’ ગુરખો રાખેલો છે કે જો અપમાન કરવા આવે તો તેને કહે, ‘તેલ કાઢી નાખજે.’ અને પેલો એક લોભ છે, તેણેય એક ગુરખો રાખ્યો છે. તે કપટ રાખ્યો છે. એને જ માયા કહી. અને લોભ જતો રહે તો એ માયા જતી રહે. ક્રોધ છે એ માનનો ગુરખો. ‘મૂરખ છો, અક્કલ વગરના છો’ એવું કોઈકે કહ્યું હોય ત્યારે આપણે કહેવું, ‘ભઈ, હું આજનો નથી, પહેલેથી જ એવો છું’ એમ કહેવું.

ખારો સંસાર કેમ મીઠો લાગે છે ?

અપમાન ગળવા માટે સંસાર છે ? અપમાન કરે તે ઘડીએ કડવાટ લાગે અને પછી ભૂલી જવાનું ? કડવાટ લાગે ને ભૂલે, એ માણસ તે માણસ જ કેમ કહેવાય? એક ફેરો કડવાટ લાગી ને પછી ભૂલી કેમ જવાય ? શેના આધારે ભૂલી જાય છે ? સંસાર તો આવો જ છેને મૂળથી. ખારો છે પણ મીઠો લાગે છે કેમ? મોહને લઈને. સંસાર મીઠો લાગે ને તેથી તો સંસારમાં વધારે ઊંડો ઊતરે, એના કરતા કડવું સારું.

અમારે ત્યાં પાડોશીમાં એક આંધળા ડોસી અને તેનો દીકરો રહે. ડોસી આખો દહાડો ઘર સાચવે ને કામ કર્યા કરે. તે ભાઈને ઘેર એક દિવસ તેના સાહેબ આવ્યા. આ ઘરના સાહેબ અને પેલા ઓફિસના સાહેબ ! બંને ઘેર આવ્યા. તે ભાઈસાહેબને થયું કે મારી આંધળી માને મારો સાહેબ જોશે તો મારી આબરૂ જશે. તે સાહેબની સામે પોતાની માને કહે કે આંધળી ઊઠને, મારા સાહેબ આવ્યા છે ! માને લાત મારી ને સાહેબ પાસે પોતાની આબરૂ ઢાંકી ! મોટો સાહેબ ના જોયો હોય તો! આ આબરૂનો કોથળો! માની આબરૂ સાચવવાની હોય કે સાહેબની ?

આ કેરી શાથી લઈ આવતા રહો છો ? તો કહે કે રસ માટે, સ્વાદ માટે. આ તો સ્વાર્થનું જગત ! માટે આપણા માંહ્યલા ભગવાન સાચા, ને મોક્ષે ગયા તો કામ થયું, નહીં તો આ તો ‘ઊઠ આંધળી’ એવું કહે !

પાછા કો’ક કહેશે કે મારે છોકરાં નથી. આ છોકરાંને શું તોપને બારે ચઢાવવા છે ? આવા છોકરા હોય તે પજવે, તે શા કામના ? એના કરતાં તો શેર માટી ના હોય તે સારું અને કયા અવતારમાં તારે શેર માટી નહોતી ? આ કૂતરાં, બિલાડાં, ગધેડાં, ગાય, ભેંસ એ બધાય અવતારમાં બચ્ચાં ને બચ્ચાં જ કોટે વળગાડીને ફર્યા છે ને! આ એક મનુષ્ય અવતાર મહાપરાણે મળ્યો છે, ત્યાં તો પાંસરો મર ને ! અને કંઈક મોક્ષનું સાધન ખોળી કાઢ ને કામ કાઢી લે !

નાનપણમાં મેં નજરોનજર જોયેલું, તે કહું તમને. એક આંધળા ડોસા હતા. એ ખાતા હોય ત્યારે છોકરાં એમની થાળીમાં કાંકરા નાખી આવે. પેલા કંટાળીને ચિડાય ને બૂમો પાડે. એટલે આ છોકરાં ખુશ થઈ જાય ને વધારે કાંકરા નાખે, એવું આ જગત છે ! અને પાછા આવા કેટલા અવતાર થવાના છે એનું ઠેકાણું નથી ! મોક્ષનો સિક્કો

(પા.૧૭)

વાગ્યો હોય તો બે-ત્રણ અવતારમાંય ઠેકાણું પડે. પણ એવો સિક્કો વાગ્યો નથી છતાંય આ જગત પર લોકોને કેટલો મોહ છે !

બિલાડી લાલચની મારી મોઢું જોશથી વાસણમાં નાખી દે છે. પછી નીકળે નહીં! એ શા માટે મોઢું નાખે છે ? સ્વાર્થ ને લાલચ માટે જ ને ! એ સ્વાર્થ અને લાલચ એ જ અજ્ઞાન છે ! એટલે આપણે શું શિખવાની જરૂર છે કે,

આપણે કોણ છીએ ?

આની જોડે આપણે શી લેવાદેવા છે ?

આ મારા થશે કે નહીં ?

આ પાંસઠ વર્ષથી દાંત ઘસ ઘસ કરીએ છીએ, તોય એ ચોખ્ખા ના થયા ! તો આપણી સમજમાં ના આવે બળ્યું કે વસ્તુ સાચી કે જૂઠી ? આખી જિંદગી આ જીભની લીલ ઉતારી તોય મૂઈ ચોખ્ખી ના થઈ ! રોજ દાંતની કેટલી માવજત કરી, ઘસ ઘસ કર્યા પણ છેવટે એય સગો તો ના જ થયો ને ! આ આજે દાઢ દુઃખવા લાગી જ ને ! એવું છે આ જગત ! આ સંસાર જ એવો છે કે ખરે ટાઈમે કોઈ સગું ના થાય. આ વહુ સાસુના રોજ પગ દબાવ દબાવ કરતી હોય ને એક દહાડો વહુના પેટમાં દુઃખે તો સાસુ કહેશે, અજમો ફાકી લે. આવું તો બધા કહેશે, પણ કંઈ સાસુ વહુનું દુઃખ લઈ લેશે ? અરે! ધણી કે છોકરાંય કોઈ લઈ લેશે ? આ જગત કેવું છે કે આ બળદ લંગડો થાય ત્યાં સુધી કામ કરાવે. પણ જ્યારે એ ચાલતો બંધ થાય એટલે કતલખાને મૂકી આવે ! આ બાપા કમાઈ લાવતા હોય કે કામ કરતા હોય તો બાપા વહાલા લાગે પણ પછી જો કામ કરતા બંધ થાય એટલે ઘરના બધા શું કહેશે કે ‘તમે હવે આમ આ બાજુએ બેસો. તમારામાં અક્કલ નથી !’ એવું છે આ જગત ! આખો સંસાર દગો છે ! જો થોડોય સગો હોત તો આ ‘દાદા’ તમને ના કહેત કે આટલી સગાઈ સાચી છે ? પણ આ તો સંપૂર્ણ દગો જ છે. ક્યારેય સગો નથી. જીવતો ભમરડો જંપવા દે નહીં. અરે, અહીં સત્સંગમાં આવવું હોય, ખાલી દર્શન કરવા આવવું હોય તોય ના આવવા દે. આ તમને આવવા દે છે એ તો બહુ સારું કહેવાય.

આ દુષમકાળના જીવોની સમજણમાં મોહ અને મૂર્છા ભરેલા છે. તેથી કૃપાળુદેવે આ કાળના જીવોને હત્પુણ્યશાળી કહ્યા ! તે લોકો આખો દહાડો ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ કર્યા કરે !

સુખ રિપે કરવાના દુઃખ ભોગવીને

છોકરો ‘પપ્પાજી, પપ્પાજી’ કરે તો તે કડવું લાગવું જોઈએ. જો મીઠું લાગ્યું તો એને ઉછીનું સુખ લીધું કહેવાય. એ પછી દુઃખરૂપે પાછું આપવું પડશે. છોકરો મોટો થશે, ત્યારે તમને કહેશે, ‘તમે અક્કલ વગરના છો.’ ત્યારે થાય કે આમ કેમ ? તે પેલું તમે ઉછીનું લીધું હતું, તે પાછું લે છે. માટે પહેલેથી ચેતો. અમે તો ઉછીનું સુખ લેવાનો વ્યવહાર જ મૂકી દીધેલો.

હવે આ જે સુખો લો છો ને, એ બધા તો લોન ઉપર લો છો. તે પાછા રિપે (ચૂકતે) કરવા પડશે. માટે ચેતીને ચાલજો. લોન ઉપર લીધેલા સુખ બધા રિપે કરવા પડશે. આ વાઈફની પાસેથી, છોકરા પાસેથી સુખ લઈ લઉં છું ને, લોન ઉપર લઉં છું, એ રિપે કરવા પડશે. જેટલું રિપે કરવાની આપણી શક્તિ હોય એટલું લોન ઉપર લેજો અને પછી સહન નહીં થાય.

પ્રશ્નકર્તા :સંસાર ભોગવવામાં સુખ ચાખ્યું, તો એ પછી એનું દુઃખ કઈ જાતનું આવવાનું છે ?

દાદાશ્રી : એ લોન તો એવી ભારે પડશે, તે મરવાના વિચાર આવશે કે આ ક્યાં જઈને મરવું ! હજુ તો આની લોન રિપે કરવાનું આવશે ને, ત્યારે ખબર પડશે. હજુ તો કાગળ નથી આવ્યો રિપે

(પા.૧૮)

કરવાનો, માટે સમજીને લોન લે આ. લોન લઉં ને તો રિપે કરવી પડશે, એવું સમજીને લે. આ જેટલા સંસારી સુખો છે ને, એ બધા રિપે કરવા પડશે.

અહો ! પોતાના આત્મામાં અનંત સુખ છે ! એ મૂકીને આ ભયંકર ગંદવાડામાં પડવાનું ?

રાગ-દ્વેષને કારણે લાગે મીઠું

ગયા અવતારના છોકરાં ક્યાં મૂકી આવ્યા ? તે ઘડીએ તો એમને છોડવાનું ગમતું પણ ન્હોતું. મનમાં એમ કે હજી જીવાય તો સારું, પેલો છોકરો નાનો છે. પણ ના જીવાયું અને છોકરાં-છોડીઓને મૂકીને આવ્યા. તે ભૂલી ગયા ? લ્યો ! અને આ નવો વેષ, નવી દુનિયા! પેલા છોકરાંઓને દગો કર્યો અને આ નવા છોકરાં ઝાલ્યા! આવું કેવું કર્યું ? આ બધું તો જુઓ ! અને આ બધાં ઠેર ઠેર આના લચકાં માર્યા છે!

પ્રશ્નકર્તા : આમાં ને આમાં જ લાખો-કરોડો ભવ કરી દીધા.

દાદાશ્રી : હા, એવા કરોડો અવતાર કર્યા છે. માટે આ ફેરો આ એક અવતારમાં કે બે અવતારમાં, જો મોક્ષે જવું છે તેથી આ વાત કરું છું, માટે વાતને સમજી જાવ ને ! આ ‘દાદા’ ફરી નહીં મળે. આ તો ભેગા થયા તે થયા, નહીં તો આ ફરી ભેગા થશે નહીં. એટલે વાત સમજી જાવ ને ! તે અનંત અવતારના ફેરા છૂટી જાય અને આખો ઉકેલ આવી જાય.

જરા વૈરાગ આવવો જોઈએ કે ના આવવો જોઈએ ? આપણે નાસી જવાનું નથી કહેતા કે સાધુ થવાનું નથી કહેતા. આપણા ઋષિ અને ઋષિ-પત્ની જોડે રહેતા હતા, તો આખી જિંદગીમાં એક પુત્રદાન આપે અને આ તો પાંચ-સાત છોકરાં ! એક જણ મને કહે કે ઘેર મારી માટે ચા પીવા જેટલુંય દૂધ મારે ભાગ નથી આવતું. મેં કહ્યું, ‘કેમ ?’ ત્યારે કહે કે ચાર છોડીઓ છે ને બે છોકરાં છે. અલ્યા, તને કોણે ઊંચે બાંધ્યો હતો તે? સરકારે કાયદો કાઢ્યો તો પાંસરા રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ ?

હવે તો ઝંપીને બેસ. પણ ના બેસે ! એ બચ્ચો પછી મોટો થઈને મારે ને બે-ચાર, ત્યારે એ બોલે કે આ સંસાર ખારો છે. ત્યારે આ રાગ-દ્વેષને કારણે મીઠો લાગતો’તો !

આ એક મનુષ્ય અવતાર મહાપરાણે મળ્યો છે, ત્યાં તો મૂઆ પાંસરો મર ને ! અને કંઈક મોક્ષનું સાધન ખોળી કાઢ ને કામ કાઢી લે !

ઊંડાણમાં સંસાર લાગે કડવો

પ્રશ્નકર્તા : અત્યારે તો આ સંસાર સારો લાગે છે.

દાદાશ્રી : કડવો નથી લાગતો ?

પ્રશ્નકર્તા : ઊંડાણમાં જઈએ તો કડવો લાગે.

દાદાશ્રી : આટલી બધી કડવાશ લાગે છે તોય કેવો આ જીવનો સ્વભાવ છે ! તે પાછો કેરી કાપીને ખાઈને સૂઈ જાય ! અલ્યા, હમણે તો બીબી જોડે લડ્યો હતો ને પાછો શું જોઈને કેરી ખાય છે ? લડવાડ થાય એ બીબી કેરી કાપીને આપે તે શા કામની ? પણ તમે ચલાવી લો છો કે નથી ચલાવી લેતા ? પછી તમે લડો તો એય ચલાવી લે. પછી શું કરે તે ? બેઉ ‘મેજિસ્ટ્રેટ’ !

પહેલાના કાળના લોકો તો ખાવાનું-પીવાનું ન હોય, લૂગડાં-લત્તાં ન હોય તોય ચલાવી લેતા. અને અત્યારે કશાની તાણ નહીં તોય આટલો બધો કકળાટ કકળાટ કકળાટ ! તેમાંય ધણીને ઈન્કમટેક્સ-સેલ્સટેક્સના લફરાં હોય, એટલે ત્યાંના સાહેબથી એ ભડકતા હોય. અને ઘેર બઈસાહેબને પૂછીએ કે તમે શેના ભડકો છો ? ત્યારે એ કહે કે ‘મારા ધણી વસમા છે.’ આવા સંસારમાં ગમે

(પા.૧૯)

છે તમને આ બધું ?

મોહ-મૂર્છાથી સંસાર લાગે મીઠો

હવે સંસાર ગમતો નથી એ નક્કી થઈ ગયું છે, ચોક્કસ ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એ તો ખાતરી થઈ ગઈ છે ને ?

પ્રશ્નકર્તા : હા, ખાતરી થઈ ગઈ છે.

દાદાશ્રી : આ ખાતરી જોઈએ. આ ડેવલપ કોમ શેને કહેવાય છે કે જેની સ્ત્રીઓ એમ કહે છે કે હવે આ સંસાર અમને ગમતો જ નથી. એ ડેવલપ કોમ કહેવાય છે. નહીં તો સ્ત્રીઓ તો બધી મોહી હોય. માર ખાય તોય એને ગમે. પણ આ કોમ ડેવલપ્ડ શાથી કહેવાય, કે જેની સ્ત્રીઓ પણ જાગૃત થઈ ગઈ કે આમાં શું સુખ છે બળ્યું ! કડવું લાગે છે. અરે ! ખારું લાગે છે ! આ સંસાર સંબંધીનું બધું પાણી ખારું છે, તોય લોક શું કહે છે ? ‘ના, મીઠું છે’. બોલો, કેટલી ભ્રાંતિ હશે! ભ્રમણા કેટલી હશે !

એક ઘૈડાં માજી હતા, સિત્તેર વર્ષના. તે બહાર આવીને કકળાટ કરવા માંડ્યા. બળ્યો, આ સંસાર ખારો દવ જેવો, મને તો આ ગમતો જ નથી. હે ભગવાન ! તું મને લઈ લે. ત્યારે કો’ક છોકરો હતો તે કહે છે, ‘માજી, રોજ કહેતા હતા કે બહુ સારો છે ને આજ ખારો કેમ થઈ ગયો ?’ રોજ મીઠો દરાખ જેવો લાગતો હતો અને આજે ખારો કેમ થઈ ગયો એવું છોકરાએ પૂછયું. ત્યારે માજી કહે, ‘બળ્યો, મારી જોડે કકળાટ કરે છે છોકરો અને ઘડપણમાં પણ કહે છે, તું જતી રહે અહીંથી.’ હા, બળ્યો ખારો દવ જેવો જ લાગે છે ને સંસાર ! પણ મોહને લઈને, મૂર્ચ્છાને લઈને મીઠો લાગતો હતો. છોકરો બોલ્યો નહીં ત્યાં સુધી મીઠો અને આ બોલ્યો એટલે પેલો મોહ ઊડી ગયો. એટલે દેખાયું ખારું ને ખારું બોલે તો મોહ ઊડે ને !

છોકરો પજવે એટલે મૂર્ચ્છા એટલા પૂરતી ઊડી જાય ને સંસાર ખારો લાગે પણ ફરી પાછી મૂર્ચ્છા આવી જાય ને બધું ભૂલી જાય ! અજ્ઞાની તો એટ-એ-ટાઈમ બધું ભૂલી જાય. જ્યારે ‘જ્ઞાની’ને તો એટ-એ-ટાઈમ બધું હાજર રહે. એમને તો આ જગત ‘જેમ છે તેમ’ નિરંતર દેખાયા જ કરે, એટલે મોહ રહે જ ક્યાંથી ? આ તો પેલાને ભાન નથી, તેથી માર ખાય છે.

સાસુથી કામ ના થતું હોય તો વહુ સાસુને શું કહેશે કે તમે આઘા બેસો. નહીં તો સાસુને ઘંટીએ બેસાડી દે. સાસુને કહે કે તમે દળો, એટલે વચ્ચે ના આવો. અને આ મા તો શું જાણે કે છોકરો મોટો થાય તો મારી ચાકરી કરશે. તે એ ચાકરી કરશે કે ભાખરી કરશે, એ પછી ખબર પડે! બંધાયા હોય તો છુટાય એવું નથી ને છૂટ્યા હોય તો બંધાવાય એવું નથી! ‘સ્વરૂપનું જ્ઞાન’ મળ્યું હોય તો આ ફસામણમાંથી છુટાય !

બંધન ગમે છે ? આ બંધનમાં કંટાળો આવે છે કોઈ વખત ?

પ્રશ્નકર્તા : કંટાળો જ છે.

દાદાશ્રી : કંટાળો છે જ. કંટાળો આવતો નથી, છે જ કંટાળો. તમને નથી લાગતો કંટાળો ? થોડોઘણો લાગે છે, બહુ નહીં ? ચા પીતી વખતે હઉ કંટાળો આવે ? સરસ ટેસ્ટી ચા પીવો તોય કંટાળો આવે ?

પ્રશ્નકર્તા : દર વખતે કંઈ એવો કંટાળો આવતો નથી. આમાં રચ્યાપચ્યા રહીએ તે વખતે ભૂલી જવાય.

દાદાશ્રી : આમાં રચ્યાપચ્યા રહીએ એટલે

(પા.૨૦)

કંટાળો ભૂલી જવાય ને? એટલે એ તો મૂર્ચ્છા કહેવાય. એક ફેરો કંટાળો આવ્યા પછી, આપણે દેવતામાં એક ફેરો દઝાયા, ફરી ફરી ભૂલી જઈએ એને તો મૂર્ચ્છા જ કહેવાય ને ! એક ફેરો દેવતાને અડ્યા ને દઝાયા, પછી ભૂલી જઈએ ?

આ તો કાયમનો ખારો છે, છતાં મૂર્ચ્છાને લીધે મીઠો લાગે છે. પછી જ્યારે ગાળો ભાંડે, ખોટ જાય, ઘર બળી જાય ત્યારે મૂર્ચ્છા ઉતરે. ત્યાં સુધી મૂર્ચ્છા ઉતરે નહીં ને ! તે આ મૂર્ચ્છામાં બધા, મસ્તીમાં, ગધ્ધામસ્તાનીમાં રહ્યા છે. ગધેડું એના મનમાં મસ્તાન ! મૂર્ચ્છિત સુખ છે આ. સાચું સુખ તો આવ્યા પછી જાય જ નહીં, એનો અંત જ ના આવે, એને સનાતન સુખ કહેવાય.

બહારના સુખો છૂટે તો અંદરનું વર્તે

સુખ તો મોક્ષમાં જ છે અને મોક્ષ માટે રાગ-દ્વેષ નહીં પણ અજ્ઞાન કાઢવાની જરૂર છે. જે ફળમાં સુખનો રસ જ નથી, રસ છે પણ તે શાતા-અશાતાનો જ છે અને એમાં પણ અશાતાનો જ પાર વગરનો રસ છે, તેમાં તે સુખ શું ? આખો દા’ડો કડવું પીવડાવે અને પાશેર મીઠું પીવડાવે તેના કરતાં તો આખું જ કડવું ના પી લઈએ આપણે ? આ તો આપણને મૂરખ બનાવી જાય તે કેમ પોષાય ? અડધું દુઃખ હોય ને અડધું સુખ હોય. પચાસ-પચાસ ટકા હોય તોય ચાલે. તે આપણે ત્યાં સુધી કહ્યું કે પંચાવન ટકા દુઃખ ને પીસ્તાળીસ ટકા સુખ હશે તોય ચાલશે. પણ આટલું કહ્યું ને દુઃખ તો વધવા માંડ્યું ને પાંચ ટકા સુખ ને પંચાણુ ટકા દુઃખ થયું, એટલે ચટણી જેટલું જ સુખ મળે, આવી લાલચ આપણને ના પોષાય. મહીં ભરપટ્ટે સુખ પડ્યું છે. જો બહારનું મછરું યાદ ના આવે ને તો ‘એ સુખ’ વર્ત્યા જ કરે. આ તો બહારની યાદગીરી સુખ ખૂંચવી લે છે.

‘મારું’ કહીને વળગાડ્યું

પ્રશ્નકર્તા : આપણે જાણીએ છીએ કે આ સુખ લેવા જેવું નથી, આ ખોટું છે છતાં ભૂલ થાય છે. તે પાછલા જે બધા કર્મો લઈને આવેલા છે, એને લીધે?

દાદાશ્રી : એ તો માલ કચરો ભરી લાવ્યા’તા. પૂછયા વગરનો માલ ! અજ્ઞાની લોકોને સમજણ પડે તે માલ બધો. એ આપણે કાઢવો તો પડશે ને? જેવો ભરેલો માલ હોય તે.

જે સમજણ પડે છે કે આ ખોટો માલ ભરી લાવ્યા છે, ત્યાં આગળ આત્મવિજ્ઞાન છે, ત્યાં પ્રજ્ઞા છે એ ‘જુએ’ છે. જોનારમાં એ પ્રજ્ઞા છે. પ્રતિક્રમણ કરીને આ ‘મારું ન્હોય’ એટલું બોલે તોય બહુ થઈ ગયું. ‘મારું’ કહીને વળગાડ્યું. હવે આ ‘મારું ન્હોય’ કહીને છોડી દેવું. જ્ઞાન આપ્યા પછી સરસ રહે. જ્ઞાન આપ્યા વગર ના થાય. જ્ઞાન આપીએ ત્યારે બધા પાપો ભસ્મીભૂત થઈ જાય ને ! ત્યારથી હલકો થઈ ગયો. નહીં તો બિચારા સત્સંગ સાંભળ્યા કરે પણ ભલીવાર ના આવે.

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધે પાંચ-પાંચ વર્ષ થયા તોય હજુ અમારો મેળ નથી કેમ પડતો ?

દાદાશ્રી : મેળ હવે તો પડ્યો જ કહેવાય. એવો કઈ જાતનો મેળ પાડવાનો ?

પ્રશ્નકર્તા : આ ભૂલોમાંથી.

દાદાશ્રી : અંદર ચોખ્ખું થઈ જાય. હજુ નીકળ્યા કરવાનો માલ તો. કચરો જે ભરેલો ને, તે તો નીકળે જ ને ? નહીં તો ટાંકી ખાલી ના થાય ને? પહેલાં તો કચરો નીકળે છે એવું જાણતા ન હતા. સારું નીકળે છે એવું જાણતા હતા ને ? એનું નામ સંસાર અને આ કચરો માલ છે, એવું જાણ્યું એ છૂટા થવાની નિશાની.

એવું છે ને, જેમ જેમ વર્ષો જાય ને, તેમ તેમ મોહ ઓછો થતો જાય, વધે નહીં. પછી અમુક વર્ષે તો બિલકુલ ખલાસ થઈ જાય. આપણે ટાંકીમાં ત્યાં જોવા જઈએ ને, તો કશુંય ના હોય. ત્યારે તે ઘડીએ આ વાંધો ના આવે, તે ઘડીએ બહુ મજા આવે.

(પા.૨૧)

કોઈ વિનાશી ચીજ હવે ખપતી નથી

પ્રશ્નકર્તા : અંદર કંઈ પ્રોગ્રેસ થાય ને, એટલે આનંદ વધે. પછી પાછો ઓછો કેમ થઈ જાય ?

દાદાશ્રી : ઓછો જ થઈ જાય ને ! પણ આ પાછલા કર્મના ઉદય આવે છે તે ધક્કો મારે ને ! એ ધક્કા લાગે એટલે પછી ના આવે આનંદ. પાછલા કર્મ ખરા ને ! ફળ આપે ત્યારે મીઠાંય લાગે છે ને ! સારું જમવાનું આવે ત્યારે મીઠુંય લાગે ને ! તે ઘડીએ સારું લાગે પછી પેલું કડવું લાગે. કડવા ને મીઠાં બેઉ ફળો ચાખવા પડે. પછી કડવા-મીઠાં ચાખવાના નહીં, એક જ જાતનો આનંદ ! એકધારો આનંદ આવી જાય. મીઠું આવે ત્યારે ભૂલી જવાય છે ને થોડીવાર ?

પ્રશ્નકર્તા : હવે બધું ના ગમતું હોય એ જ વધારે કરવું પડે છે.

દાદાશ્રી : જે ગમતું હતું ને, તેને ના ગમતું કર્યું. હવે ના ગમતું લાગ્યું એટલે અવળું લાગે. ના ગમતું છે જ પણ તે તો આપણે ગમતું કર્યું હતું, તે પછી ફસાયા હતા.

‘આ જગતમાં કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી’ એવું તમે નક્કી કર્યું છે ને ? છતાં કેમ યાદ આવે છે ? માટે પ્રતિક્રમણ કરો. પ્રતિક્રમણ કરતાં ફરી પાછું યાદ આવે ત્યારે આપણે જાણવું કે આ હજુ ફરિયાદ છે ! માટે ફરી પ્રતિક્રમણ જ કરવાનું.

પ્રશ્નકર્તા :એ તો દાદા, જ્યાં સુધી એનું બાકી હોય ત્યાં સુધી પ્રતિક્રમણ થયા જ કરે છે. એને બોલાવવું નથી પડતું.

દાદાશ્રી : હા, બોલાવવું ના પડે. આપણે નક્કી કર્યું હોય એટલે એની મેળે થયા જ કરે.

પ્રશ્નકર્તા :ઉદયો આવ્યા જ કરે.

દાદાશ્રી : ઉદય તો આવે. પણ ઉદયો એટલે શું ? મહીં જે કર્મ હતું, તે ફળ આપવા માટે સન્મુખ થયું. પછી કડવું હોય કે મીઠું હોય, જે તમારો હિસાબ હોય તે ! કર્મનું ફળ સન્મુખ થતાં જ આપણને મોઢા ઉપરથી જ કંટાળો આવે, તો જાણવું કે મહીં દુઃખ આપવા આવ્યું છે અને મોઢા ઉપરથી આનંદ દેખાય તો જાણવું કે ઉદય સુખ આપવા આવ્યું છે. એટલે ઉદય તો આવે ત્યારે આપણે જાણવું કે ભાઈ આવ્યા છે, એનો ‘સમભાવે નિકાલ’ કરી નાખવો.

પ્રશ્નકર્તા :પણ તે વખતે પ્રકૃતિ સહેજ જોર કરે ને પાછી ? પ્રકૃતિનો સ્વભાવ નીકળે તો ખરો ને ?

દાદાશ્રી : બધુંય નીકળે, તોય પણ ‘આપણે’ ‘જોયા’ કરવાનું. એ બધોય આપણો હિસાબ છે.

ડિસ્ચાર્જ પ્રકૃતિમાં ન માણો મીઠાશ

કોઈ પણ પ્રવૃત્તિની પ્રકૃતિ જ ઊભી થયેલી છે, તે પ્રકૃતિ કરાવડાવે ત્યાં સુધી કરવું પણ ઉત્તેજન નહીં આપવું. મહીં રસ ના લેવો. આ હિતકારી પ્રવૃત્તિ નથી. જે કાર્ય કરી શકો ને, તે ડિસ્ચાર્જ થાય છે. જે કાર્ય તમારાથી થઈ રહ્યું છે એ ડિસ્ચાર્જ છે, પણ એમાં તમે જે રસ લો છો તે રસ ના લેશો. આ રસ લેવા જેવી ચીજ ન્હોય. આ તમને ભટકાવીને ફેંકી દેશે. મીઠું લાગે, સ્વાદિષ્ટ લાગે, તે પાડી દે !

આ જે પ્રકૃતિ ઊભી થયેલી છે ને, તે એના કર્તા તમે અત્યારે નથી. આ તો ડિસ્ચાર્જ છે. એટલે

(પા.૨૨)

અમે વઢીએ નહીં કે આવું થયું તેમાં પણ તમને એન્કરેજ પણ ના કરીએ. તમને મનમાં એવું લાગે કે શુંય થઈ ગયું આ! તો ઊંધું બાફી મારશો ! સમજ્યા વગરનું તે કોને કેટલી દવા આપવી એ જાણો નહીં અને ગમે તેને દવા આપી દેશો, એ તમારું કામ નહીં. આ તો બધું પ્રકૃતિ છે, એને ઉદાસીન ભાવે જોયા કરો. બહુ ઈન્ટરેસ્ટ ના લેવો. આ પ્રકૃતિથી કોઈને નુકસાન ના થાય એ જોઈ લેવું.

પોતાનું જે કાર્ય હોય એ કરવું. આ તો માથે પડેલી ભરેલી પ્રકૃતિ છે, છૂટકો નથી. ખોળી કાઢશે અવળું, ત્યાં જઈ આવશે. સ્વાદ પડે, એમાં મીઠાશ લાગે. આ મીઠાશ પાછી પ્રાકૃતિક મીઠાશ, આત્માની મીઠાશ ન્હોય. હજુ બહુ કરવાનું બાકી છે.

પ્રશ્નકર્તા : એનું વિગતવાર જણાવો.

દાદાશ્રી : આ પાંચ આજ્ઞા જ તમે બધા પાળો ને, એમાં જ છે તે ઊંડા ઊતરો. હજી પાંચ આજ્ઞા જ પૂરી પળાતી નથી ને ! આ તો તમને લાગે એવું, એમ તેમ કહીએ. એટલે અમે ખુશી નહીં છતાં ખુશી દેખાડેલી.

પ્રશ્નકર્તા : બધી ભૂલો થાય તે આપને બતાવવાનું આ જ કારણ છે. અમને પ્રોપર માર્ગદર્શન મળશે જ અહીંયા, એવો અમને દ્રઢ વિશ્વાસ છે. કંઈ પણ નહીં છૂપાવાનું કારણ જ આ !

દાદાશ્રી : એ તો પછી જ્યારે મીઠાશ લાગે ને, તો છૂપાવતો થાય અમારાથી. બાકી શરૂઆત હોય ત્યાં સુધી અમને પૂછે. પછી બહુ મીઠાશ લાગે એટલે છૂપાવતો થાય. માટે ચેતીને ચાલજો.

કડવું ઝેર જેવું લાગે ત્યારે છૂટે

પ્રશ્નકર્તા : આ જ્ઞાન પછી પણ પેલું (મીઠાશ) અંદર ઊભું થાય અથવા તો અંદર રહેલા પરિણામ હોય, એનો નિકાલ કેવી રીતે થાય ?

દાદાશ્રી : એ કડવું ઝેર જેવું લાગ્યા કરે એટલે છૂટ્યા કરે.

પ્રશ્નકર્તા : એટલે જ્યાં જ્યાં હૂંફ લેવાતી હોય, જે જે અવલંબન લીધા હોય અથવા લેવાતા હોય, એ કડવા ઝેર જેવા લાગવા જોઈએ ?

દાદાશ્રી : કડવું લાગે તો છૂટતું જ હોય. જેટલા સંયોગ એટલા અવલંબન.

પ્રશ્નકર્તા : આમાં અવલંબન છૂટવા માટે એક બીજો પણ રસ્તો હોઈ શકે ને એટલે જ્ઞાનની જાગૃતિપૂર્વક પણ અવલંબન છૂટી શકે ને?

દાદાશ્રી : જ્ઞાન જાગૃતિ છે, તો અવલંબન છે જ નહીં ને !

પ્રશ્નકર્તા : ત્યાં અવલંબન જ નથી ?

દાદાશ્રી : હજુ બીજામાં એને હેબિટ છે એટલે.

પ્રશ્નકર્તા : મીઠું લાગે છે એ વસ્તુ. અવલંબનો કારણો કયા હોઈ શકે છે વધારે ?

દાદાશ્રી : ઈચ્છાઓને કારણે.

પ્રશ્નકર્તા : એ બરોબર, પણ જે બાધક કર્તા અવલંબનો કયા કયા હોય ? એટલે આમ દાખલા તરીકે આ ઘરનું અવલંબન છે, બૈરીનું અવલંબન છે.

દાદાશ્રી : અરે, એ તો ગણતરીમાં મૂકાય નહીં.

પ્રશ્નકર્તા : એ નહીં, તો ?

દાદાશ્રી : એ તો મોટું મોટું એક થઈ ગયું. આ તો એક સર્કલની વાત કરી કે પાંચ-સાત સંજોગો હોય, સ્ત્રી હોય, ઘર હોય, એવા તો કરોડો

(પા.૨૩)

સંજોગો હોય. આ તો સ્ત્રી નહીં, બધે આરપાર ગયેલો. ફકત પાંચ-સાત સંજોગો હોય.

પણ ત્યાંથી નિરાલંબ કહેવાતો હોય, પાંચ-સાત સંજોગો હોય તોય !

પ્રશ્નકર્તા : એટલે અમુક નિરાલંબ સ્થિતિ પ્રાપ્ત થઈ હોય ?

દાદાશ્રી : નિરાલંબ થાય ત્યારથી એ પોતે પોતાને જોઈ શકે. જોઈ શકવું એ શબ્દરૂપ નથી. શબ્દ તો અવલંબન છે.

પ્રશ્નકર્તા : પોતાને ખબર પડે કે પોતે અવલંબનથી ગ્રહાયેલો છે?

દાદાશ્રી : બધુંય ખબર પડે.

પ્રશ્નકર્તા : એટલે એનો ઉપાય શું છૂટવા માટે ?

દાદાશ્રી : કડવું ઝેર જેવું લાગે એ, ના ખબર પડે કે આ મીઠું લાગે છે ને કડવું લાગે છે ?

પ્રશ્નકર્તા : એટલે જ્યાં જ્યાં મીઠું લાગે છે અથવા કડવું લાગે છે એ અવલંબનો પડ્યા છે હજુ.

દાદાશ્રી : સંયોગો માત્ર અવલંબન છે.

પ્રશ્નકર્તા : પણ સંયોગો તો આપનેય ભેગા થાય છે, છતાં આપની સ્થિતિ નિરાલંબ એ કેવી રીતે ?

દાદાશ્રી : આ તો સંયોગોની અમારે જરૂર નથી અને બીજા આ ભેગા થાય છે તે અમે નિકાલ કરીએ છીએ.

પ્રશ્નકર્તા : એટલે ? અત્યારે સંયોગો ભેગા થાય છે એ પૂર્વેના કંઈક અવલંબનનું પરિણામ છે એવું કહો છો ?

દાદાશ્રી : ઈચ્છાઓનું પરિણામ છે.

પ્રશ્નકર્તા : પહેલાંની ?

દાદાશ્રી : અત્યારે ઈચ્છા ના રહી હોય ને પહેલાની ઈચ્છાના પરિણામે હમણાં સંયોગો ભેગા થાય, પણ કડવાં ઝેર જેવા લાગે, ગમે નહીં.

પ્રશ્નકર્તા : એટલે આ નિકાલ થઈ જશે, એમ નિરાલંબ સ્થિતિ વધારે ઉત્પન્ન થશે ?

દાદાશ્રી : થઈ જ ગયેલી હોય એ અમારે તો.

પ્રશ્નકર્તા : પણ એ સંયોગોનો નિકાલ...

દાદાશ્રી : એ નિકાલ થતા જ હોય. કારણ કે પ્રત્યેક સંયોગોને જુએ, જ્ઞાતા-દ્રષ્ટા થઈ જાય ! તોય થોડા-ઘણા રહી જાય, પણ પોતાનું સ્વરૂપ દેખાઈ જાય. એના આધારે સંપૂર્ણ સંયોગોનો નાશ કરી શકે, નહીં તો કરી શકે નહીં ને !

પ્રશ્નકર્તા : આ પોતાનું સ્વરૂપ દેખાય તો જ પેલું અવલંબન અવલંબન સ્વરૂપે ના રહેને પછી ?

દાદાશ્રી : પોતે પોતાને જોઈ શકે ત્યારથી નિરાલંબ થાય. અત્યારે ‘શુદ્ધાત્મા છું’ એ સર્કલમાં આવ્યો.

પ્રશ્નકર્તા : આ બધા આપણા મહાત્માઓ ?

દાદાશ્રી : હં.

પ્રશ્નકર્તા : હં, આ શુદ્ધાત્મા પદ એ પણ નિરાલંબ સ્થિતિ લાવનારું પદ છે ને ? એટલે આ ફાઈલોનો નિકાલ થાય તેમ તેમ પેલું આવતું જાય પદ નિરાલંબ સ્થિતિનું ?

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા :આપણે અવલંબનો બે જાતના કીધા : એક તો મીઠાશવાળા અવલંબનો અને બીજા કડવાશવાળા અવલંબનો. બરોબર ને?

દાદાશ્રી : બે જાતના સંયોગો હોય છે જ ને ?

(પા.૨૪)

પ્રશ્નકર્તા : હં, તો એ બેઉ જાતના અવલંબનો એ ઊભા થાય અંદર, પણ પોતે એમાંથી ખસી જાય તો એ નિરાલંબ સ્થિતિ તરફ જઈ શકે?

દાદાશ્રી : શી રીતે ખસી જાય પણ ?

પ્રશ્નકર્તા : આ જ્ઞાનની જાગૃતિથી. બહાર સંજોગો હોય પણ અંદર જાગૃતિપૂર્વક ખસી જાય તો ?

દાદાશ્રી : ખસી શી રીતે જાય પણ ? એ જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય તો જ ખસી ગયો કહેવાય.

પ્રશ્નકર્તા : કારણ કે આજે વ્યવહાર અને સંજોગો આપને પણ આજુબાજુ છે, મહાત્માઓને પણ આજુબાજુ વ્યવહાર, સંજોગો છે, પણ એમાં એવું કંઈક વચ્ચે છે કે જે આપને નિરાલંબ સ્થિતિમાં રાખી શકે છે.

દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહે છે.

પ્રશ્નકર્તા : એ જ પદ.

દાદાશ્રી : વીતરાગ રહે.

પ્રશ્નકર્તા : તો એ જ્ઞાતા-દ્રષ્ટાપદમાં રહ્યો કેવી રીતે કહી શકાય?

દાદાશ્રી : એ પોતાને ખબર પડી જાય. એ ના જ કહે, હું રહ્યો નથી.

પ્રશ્નકર્તા : આપે એવું પણ કહ્યું કે પેલું અમને સ્વરૂપ દેખાઈ ગયેલું એટલે આ બાજુ નિરાલંબ સ્થિતિ રહી શકે, તો જ્ઞાતા-દ્રષ્ટાપણામાં પણ એવું જ હોય ?

દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટાપદ તો પોતાને ખબર પડે ને, તમને ખબર પડે છે ને ? ઉપયોગમાં રહે, ક્યાં ઉપયોગ રહે, બધી ખબર પડે.

પ્રશ્નકર્તા : એટલે પૂછવાનું એ હતું કે એટલે જ્ઞાતા-દ્રષ્ટાપણું રહેવું અને સ્વરૂપ દેખાઈ જવું એ બન્ને એક જ સ્થિતિ છે કે ફેર છે બેનો ?

દાદાશ્રી : જુદું-જુદું. જ્ઞાતા-દ્રષ્ટા તો દરેક માણસ રહી શકે ને!

પ્રશ્નકર્તા : એટલે પેલું ઊંચું છે વધારે.

દાદાશ્રી : એ છે જ નહીં કોઈને.

પ્રશ્નકર્તા : એટલે ? આપણા મહાત્માઓમાં કોઈને નથી ?

દાદાશ્રી : હોય જ નહીં. એનું કામેય નહીં. વગર કામનું પૂછવાનું! ટેન્શન વગર જીવન હોય, હાસ્ય ઉત્પન્ન થાય, એ બધું ભેગું થાય ત્યાર પછી સ્વરૂપ દેખાય. એ ઓછું ગપ્પું છે કંઈ? આ તો હજુ આજ્ઞામાં રહો. સમજવું જુદી વસ્તુ છે અને આજ્ઞામાં રહેવાનું જુદી વસ્તુ છે. બસ, બીજું કશુંય નહીં.

હમણાં આજ્ઞામાં રહો એટલું જ. એ એનું ફળ આવશે ત્યારે ! અત્યારે ભણતા હોય ફર્સ્ટ સ્ટેન્ડર્ડ, સેકન્ડ સ્ટેન્ડર્ડ કે ચોથામાં, પાંચમામાં, એ બધામાં, ને અમથા કૂદાકૂદ કરીએ, મેટ્રિક સુધી ! હજુ તો હાસ્ય ઉત્પન્ન થયું નથી, ટેન્શન ગયા નથી. સમજી લેવું એ વાત જુદી છે, પણ વગર કામના ફાંફાં મારવા, કૂદાકા મારવા તેથી આ નીચે જઈને ખોવાઈ જાય. એટલે આજ્ઞામાં રહીને ધીમે ધીમે આગળ વધો ને ! એટલે આજ્ઞામાં રહેવું અને જગતના કલ્યાણની ભાવના કરવી. આ તો કંઈ આ ભવમાં જ પૂરું થશે કે હજુ કેટલા ભવમાં થશે, તે એનું ઠેકાણું નહીં ને ! એ ખોટા કૂદકાં મારીએ!

પ્રાકૃતિક મસ્તી ભૂલભૂલામણીવાળી

માટે મોક્ષમાર્ગને બાધક આવ્યું એટલે છોડી દેવાનું અને ચાલો પાછા. એ ધ્યેય પર કહેવાય ને ! પોતાનો ધ્યેય ચૂકે નહીં, ગમે તેવા કઠણ પ્રસંગોમાં પણ પોતાનો ધ્યેય ચૂકે નહીં એવું હોવું જોઈએ.

તમારે ધ્યેય પ્રમાણે કોઈ દહાડો ચાલે કે ?

(પા.૨૫)

અવળું નહીં કશું ? એ તો સહજ થઈ ગયેલું, નહીં ?

પ્રશ્નકર્તા : એટલે મહીં ‘હેન્ડલ’ મારવાનું ચાલુ રાખવું પડે.

દાદાશ્રી : ચાલુ રાખવું પડે પણ એ મહીંવાળા માને ખરા ? તરત જ ?

પ્રશ્નકર્તા : તરત જ.

દાદાશ્રી : તરત, વાર જ નહીં, એ સારું. જેટલું માને એટલું છૂટા થયાની નિશાની. એટલા એનાથી આપણે છૂટા જ છીએ એ નિશાની. પોતાને લાંચ કશી છે નહીં. લાંચ હોય ત્યારે એ વાત માને નહીં. એની પાસે ‘પોતે’ લાંચ ખાતો હોય તો એ આપણી વાત માને નહીં પછી. ‘પોતે’ સ્વાદ લઈ આવે, પછી ‘પેલા’ ના માને.

આ વ્યવહાર તો પેલી બાજુ જ લઈ જાય ને ! અનાદિથી એક આરાધેલો માર્ગ એ જ ને ! વ્યવહાર તો હંમેશાં એ બાજુનું ટેવાયેલો જ હોય ને ! એટલે એ બાજુ જાય તોય આપણે આપણા ધ્યેય પ્રમાણે હાંકવાનું. બળદ તો જૂનો રસ્તો દેખે તો એ રસ્તે જ ચાલ્યા કરે. આપણે હવે આપણા રસ્તે ધ્યેય પ્રમાણે જવાનું. આ રસ્તે નહીં, આ બીજે રસ્તે જવાનું. ‘આમ હેંડ’ કહીએ.

એટલે પોતે લાંચ ના લે તો પેલા કહ્યા પ્રમાણે તરત જ ફરે. પણ લાંચ લે તો એ પછી માર ખવડાવે, બધી બાબતમાં માર ખવડાવે. એટલે ધ્યેયમાં પાછું નહીં પડવું જોઈએ.

પ્રશ્નકર્તા : એ લાંચ કેવી હોય ?

દાદાશ્રી : ચાખી આવે. અને ચાખતી વખતે પાછું મીઠું લાગ્યું હોય ને, તે બેસે ત્યાં આગળ. ‘ટેસ્ટ’ કરી આવ્યો એટલે પછી ફરી થોડુંક એકાદ-બે બોટલ પી આવે. આ બધી ચોર દાનત કહેવાય. ધ્યેય પર જવું છે એ અને ચોર દાનત, એ બે સાથે કેમ કરીને રહી શકે ? દાનત ચોક્કસ રાખવી જોઈએ, કોઈ પણ લાંચ-રુશ્વત સિવાય. આ તો એ મસ્તી ચાખવાની ટેવ હોય છે, એટલે આમ ત્યાં બેસીને જરા એ મસ્તીના આનંદમાં રહે.

પ્રશ્નકર્તા : એટલે પ્રકૃતિની મસ્તી ?

દાદાશ્રી : ત્યારે બીજી શી ? એ એમાં જ ટેવાયેલો છે ને ! એટલે ‘આપણે’ કહીએ કે ‘ના, અમારે તો હવે આમ જવાનું છે. મારે મસ્તી નથી જોઈતી. અમારા ધ્યેય પ્રમાણે ચાલવાનું છે.’ આ પ્રકૃતિની મસ્તીઓ તો ભૂલભૂલામણીમાં લઈ જાય.

ધ્યેય તોડાવડાવે એ આપણા દુશ્મન. આપણો ધ્યેય નુકસાન કરાવે એ કેમ પોષાય ? અબ્રહ્મચર્યના વિચારમાં મીઠાશ તો આવે, પણ શું થાય? એ ભયંકર ગુનો છે ને ! પછી પોતાનાં ધ્યેયમાં ‘ટી.બી.’ જ થાય ને ! સડો જ પેસવા માંડે ને !

અહીં તો પોતાનું મન એટલું મજબૂત કરી લેવાનું છે ને, કે આ ભવમાં જે થાય, ભલે દેહ જાય, પણ આ ભવમાં કંઈક ‘કામ’ કરી લઉં એવું નક્કી કરી રાખવું જોઈએ. એટલે એની મેળે કામ થશે જ. આપણે આપણું નક્કી કરી રાખવું જોઈએ. આપણી ઢીલાશ ના રાખવી. આવું પ્રાપ્ત હોય ત્યારે ઢીલાશ ના રાખવી.

હવે તો આધાર તોડવો એ જ પુરુષાર્થ

આપણું જ્ઞાન લીધા પછી વસ્તુસ્થિતિમાં પ્રયોગ કરવો જોઈએ. અનાદિકાળથી સંસાર શેના આધારે ઊભો રહ્યો છે ? જે આધાર હજી તૂટ્યો નથી. એટલે એ આધાર તોડ તોડ કરવો પડે. જેના આધારે આ જગત ઊભું રહ્યું છે, સંસાર ઊભો રહેલો છે, તે આધાર તોડ તોડ કરવાનો છે.

હવે શેના આધારે જગત ઊભું રહ્યું છે ? ત્યારે કહે, મનના જે પર્યાયો છે, મનની જે અવસ્થાઓ છે, તેમાં આત્મા તન્મયાકાર થાય છે, તેથી સંસાર ઊભો રહ્યો છે. નથી બુદ્ધિ પજવતી કે નથી કોઈ પજવતું. આ તો આત્મા તન્મયાકાર થયો એની મહીં, તેથી સંસાર ઊભો રહ્યો છે. એટલે મનના પર્યાયોને તોડ તોડ કરવા જોઈએ. આ ‘મારા ન હોય, મારા ન હોય’, ત્યાં જ બેઠાં બેઠાં હલાય હલાય જ કરવું જોઈએ. એ તોડ તોડ કરે કે છૂટો થઈ ગયો. અનાદિનો અભ્યાસ છે ને, તે છૂટો થવા દેતો નથી. અનાદિનો અભ્યાસ છે ને, તે એને મીઠાશ વર્તે છે. એ મીઠાશ શુદ્ધાત્માને નથી વર્તતી, એ અહંકારને વર્તે છે. એટલે એ તોડ તોડ કરવું પડે. બેને છૂટું જોવું. છૂટું જ જોવું પડે, તો જ ઉકેલ આવે.

જય સચ્ચિદાનંદ