જ્ઞાની સંગે જાત્રાનો જૅકપોટ સંપાદકીય જ્ઞાનીકૃપાથી આપણને આત્મજ્ઞાન દ્વારા સમ્યક્ દ્રષ્ટિ મળે છે. ‘હું શુદ્ધાત્મા છું’ એની પ્રતીતિ બેસે છે, સાથે અંશે અંશે અનુભવ પણ થાય છે. આ અનુભવની શ્રેણી આગળ વધારવા હવે મહાત્માઓએ શું કરવાનું રહે ? આ આજ્ઞા પાળવાનો પુરુષાર્થ માંડવો અને સાથે સાથે જ્ઞાનીનો પરિચય સાધવો. જાગૃતિ વધારવા માટે જેટલો સત્સંગનો પરિચય જરૂરી છે, એટલો જ જ્ઞાનીનો પરિચય પણ અવશ્ય છે. જ્ઞાનીનો પરિચય કેવી રીતે કેળવીશું ? પ્રત્યક્ષ સત્સંગથી, એમની સાથે રહેવાથી, એમના આશયો સમજવાથી વગેરે... એવી જ રીતે જ્ઞાની સંગે જાત્રા એ પણ જ્ઞાનીનો પરિચય કેળવવા માટેનો મોટો લહાવો છે. ખરેખર જાત્રા એટલે શું ? જ્યાં જ્યાં જ્ઞાનીના પગલાં પડે એ જ તીર્થસ્થાન ! તો પછી પ્રશ્ન એ થાય કે જ્ઞાન પછી જ્ઞાની સંગે આ જાત્રાએ જવાનું શું પ્રયોજન ? પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) હંમેશાં કહેતા કે આ જાત્રા એ પણ અમારા પૂર્વકર્મની નિર્જરા છે. પૂર્વે જાણતા-અજાણતા જે વિરાધનાઓ કરી હતી, એ વિરાધનાઓ ધોવા માટેનું પ્રયોજન છે. અમે કર્તાભાવથી જાત્રા નથી કરતા. ખરેખર તો જાત્રા આત્મહેતુ અને ભક્તિહેતુ માટે હોય. હવે આ જાત્રામાં મહાત્માઓને સુખ શી રીતે આવે છે ? આ ઘર સંસારથી છૂટે ત્યારે મહીં સુખ ઊભું થાય છે. જાત્રામાં જ મહાત્માઓને પોતાની પ્રકૃતિને જોઈને ખપાવવાનો અને પોતાની ગાંઠો તોડવાના સંજોગો મળે છે. એમાં એડજસ્ટમેન્ટ લે તો જ્ઞાન અનુભવમાં પરિણમે છે. દાદાશ્રી હંમેશાં કહેતા કે આપણે જ્યાં જ્યાં જાત્રામાં જઈએ ત્યાં કોઈને દુઃખ ના પડે એવી જાગૃતિ રાખવી અને તે ક્ષેત્રોના નિયમો પાળવા, તો એ ખરી જાત્રા. છતાં મોટી મોટી જાત્રામાં મહાત્માઓના ડિસ્ચાર્જ માલ એમને લડાવે-અથડાવે, પણ તેઓ કહેતા કે જેટલું લડવું હોય એટલું લડજો, લડવાથી ભરેલો માલ ખાલી થાય ! તેથી અમે કોઈને વઢીએ નહીં, કારણ કે લડ્યા પછી અમારા મહાત્માઓ અમારી હાજરીમાં જ પ્રતિક્રમણ કરી નાખે અને જેથી એમની વચ્ચે કોઈ જુદાઈ ના હોય, ભેદ ના હોય. દાદાશ્રી કહેતા કે અમારું જીવન પોતાના માટે નથી, અમે બધાને જાત્રાનો લાભ થાય એ હેતુ માટે જાત્રા કરીએ છીએ. મહાત્માઓ માટે આ જાત્રાનો મુખ્ય હેતુ શું ? જ્ઞાની પુરુષનો રાત-દિવસનો પરિચય થાય, એમનો વ્યવહાર, એમની આંતરિક પરિણતિ, એમની સહજ દશા નિહાળવા મળે એ જ મુખ્ય હેતુ. શાસ્ત્રકારો તો કહે છે કે તમે છ મહિના જો જ્ઞાની પુરુષ જોડે ફરો તો પ્રૂફ થઈ જાવ, ઝડપી મેળ પડી જાય. કરોડો રૂપિયા આપે તોય જ્ઞાની પુરુષની જોડે જાત્રા ક્યાંથી મળે ? એ તો અજાયબી છે ને ! મહાત્માઓની પુણ્યૈ ને ! ~ જય સચ્ચિદાનંદ. જ્ઞાની સંગે જાત્રાનો જૅકપોટ (પા.૪) જ્ઞાની પુરુષના પગલાં પડે તે જ તીર્થ પ્રશ્નકર્તા : જાત્રા કરવાનું માહાત્મય બધા જ ધર્મોમાં છે એનું શું કારણ ? દાદાશ્રી : જાત્રા તો આ જગત શું છે એ જોવાનું મળે, જાણવાનું મળે અને સારા પુરુષો જે જગ્યાએ ફર્યા હોય ને, તે જગ્યાનું વાતાવરણ મળે. પ્રશ્નકર્તા : દાદા, આ બધા તીર્થ... જે જાત્રા કરવાના સ્થળ છે, એ બધા સાચા હશે ? દાદાશ્રી : જાત્રા કોને કહેવાય છે ? જ્ઞાની પુરુષ જ્યાં પગ મૂકે ત્યાં તીર્થસ્થાન થયું. જ્યાં જ્યાં જ્ઞાની પુરુષના પગલાં પડે એ જાત્રાનું ધામ કહેવાય. આ અમારા જ્યાં પગલાં પડે એ બધી જ જગ્યા જાત્રા સ્થળ. પછી પુસ્તકમાં લખાશે કે દાદાજી અહીં આવ્યા’તા ને, આ ખુરશી ઉપર બેઠા’તા ને આ ગામમાં પધાર્યા’તા. જાત્રામાં સુખ શેનું ? પ્રશ્નકર્તા : તો પછી આ બધાય જાત્રા કરવા જઈએ તો એ નિરર્થક ને ? દાદાશ્રી : આ તો લોક ઘેરથી કંટાળેલું હોય ને, તે આવું બહાર જવાનું થાય ત્યારે કહે, ‘હેંડો, જાત્રાએ જઈએ.’ જાત્રામાં સુખ શી રીતે આવે છે, લોક પૂછે છે. ત્યારે એને સમજણ પાડું છું, કે અહીં ઘેરથી સ્ટેશને નીકળ્યા, એટલે એને આરામ થઈ જાય. ‘હાશ, છોકરાથી છૂટ્યા હવે’, કહેશે. સાસુથી છૂટી, છોકરાથી છૂટી, ધણીથી છૂટી. અને પછી સ્ટેશન ઉપર રોફથી ફરે. કોઈ બાપોય કહેનારો ના રહ્યું. અને છોકરાથી છૂટી, નહીં તો છોકરા કહે, ‘ફી લાય, ફલાણું લાય’ ને આખો દહાડો કોચ કોચ કરે, તે એમાં બિચારીને છોકરાં પજવનારા બંધ થઈ ગયા. એટલે ગાડીમાં ગયા ત્યાંથી નિરાંત લાગે. આ તો પજવનારું બંધ થઈ ગયું તેનું છે એ સુખ બધું અને પારકે ભાણે જમવાનું. તેને લીધે ત્યાં સુખ પડે. બાકી, સુખ બીજું કશું ના હોય. આ અહીંથી આ બધાથી છૂટ્યો તેનું સુખ છે આ. એ જાણે કે આમાંથી આવ્યું, જાત્રામાંથી સુખ આવ્યું. એટલે ભગવાન મહીં બેઠા છે. પણ આ તો બહાર ખોળાખોળ કરીએ. આ તો લોકો તીર્થમાં શાથી જાય છે, જાણો છો તમે ? અહીં આ જંજાળથી થોડો વખત છૂટાય ને ! અહીંથી છૂટ્યો ને સ્ટેશને ગયો, એટલે આનંદ ! હવે આનંદ આવે છે આમાંથી. આ બધાથી મુક્તિ થાય, તેનો મનુષ્યને આનંદ આવે છે. તીરથમાંથી આનંદ આવ્યો એવું એને લાગે, પણ તીરથમાં આનંદ હોતો હશે ? શાથી તીરથ કહેલા ? તીરથમાં ફક્ત એટલું કે કોઈ મહાન પુરુષોના ત્યાં દર્શન થાય તમને. સંત પુરુષો, મહાન પુરુષો એવી જગ્યા ઉપર ભેગા થાય તમને, તો લાભ થાય એટલા માટે તીરથ છે બધા. બાકી તીરથ જો કદી સંત પુરુષો ના મળતા હોય અને જો પ્રપંચી મળતા હોય તો બળ્યા એ તીરથ ! આપણે ઘેર મહીં (ભગવાન) બેઠો છે, તે વધારે છેટે જવાનું નથી. ટિકિટ લેવાની જરૂર જ નથી. પેલો કહે છે ને, અખો જ્યાં ને ત્યાં ભટક્યો, કશું વળ્યું નહીં, તોયે ના આવ્યું બ્રહ્મજ્ઞાન. આ બ્રહ્મજ્ઞાન કરવા માટે છે આ બધું જગત. તીર્થક્ષેત્રોનું મહત્વ પ્રશ્નકર્તા : આ તીર્થક્ષેત્રો હોય, યાત્રાના સ્થળો હોય, એ પુણ્યભૂમિનું મહત્ત્વ ખરું ? દાદાશ્રી : મહત્વ તો હોય છે. હંમેશાં (પા.૫) ક્ષેત્રનું મહત્ત્વ હોય. ક્ષેત્ર એ તો મુખ્ય વસ્તુ છે. ક્ષેત્રનું પહેલું જોઈ લેવું. આપણને સુગંધી આવે, એવું ક્ષેત્રની આજુબાજુ વાતાવરણ હોય. ક્ષેત્રોની કિંમતોય જાતજાતની જુદી હોય. ક્ષેત્રોમાં તો બહુ ફેર પડે. અને તીર્થક્ષેત્ર તો મહાન મોટા મોટા સંતો ને જ્ઞાની પુરુષો ફરેલા હોય, તે તીર્થક્ષેત્ર થાય. પ્રશ્નકર્તા : સત્ પુરુષોના આંદોલન સો-સો, બસ્સો-બસ્સો વર્ષો સુધી રહે ? દાદાશ્રી : હા, બસ્સોથી વધારે. યોગીઓના એથીયે વધારે રહે. આંદોલન તો બહુ રહે. પ્રશ્નકર્તા : અને જ્ઞાનીઓના તો સહુથી વધારે રહે ને ? દાદાશ્રી : જ્ઞાનીઓ આમાં ના પડે. એ બધું યોગી પુરુષોનું કામ. સંસારને નભાવી રાખવાનું, ટકાવી રાખવું, એ બધું યોગીઓનું કામ. જ્ઞાનીઓ તો એમનું કામ કરીને ચાલ્યા જાય. એ અહીં આગળ ઊભા ના રહે પાછા. પ્રશ્નકર્તા : આ વાણીરૂપે જે પરમાણુ નીકળે છે, એ એની... દાદાશ્રી : એ એનામાં રહે. એ તો રહેવાના. એ પણ કોઈ પુસ્તકમાં હોય એટલું ચાલે. પ્રશ્નકર્તા : તીર્થંકરોય સમોવસરણમાં કેવળજ્ઞાન થયા પછીની જે વાણી નીકળી, જ્ઞાની પુરુષની વાણી, એ આજ બ્રહ્માંડમાં ફરતી જ હોય ને ? એ એવી દ્રઢ જોઈ શકે ને ? દાદાશ્રી : હા. એ આખું ચક્કર ફરે છે, ત્યાર પછી નાશ થાય છે. એ આખા ચક્કરમાં ભ્રમણ થાય છે. એટલે જેને ઉતારવું હોય તો તે ઉતારી શકે છે. તેથી આ તીર્થંકરોને માટે કહેલું, કે એ જ્યાં જાય ત્યાં તીર્થ થાય. તીર્થંકરો જેવું અમારાથી ના થાય, ઓછું થાય. ક્ષેત્રનોય પ્રભાવ પ્રશ્નકર્તા : જેવી રીતે માણસોના વાઈબ્રેશન હોય એવી રીતે ક્ષેત્રના પણ વાઈબ્રેશન હોય ને ? વાતાવરણ હોય એવું ? દાદાશ્રી : દરેકનું વાતાવરણ હોય. એક ઝાડ હોય તો તેનુંય વાતાવરણ હોય, ક્ષેત્રનુંય વાતાવરણ હોય. અમુક ક્ષેત્રમાં જઈએ ત્યારે ખરાબ વિચાર આવે. આપણે અહીં કુરુક્ષેત્ર છે ને, ત્યાં જાય તો ત્યાં લડવાના જ વિચાર આવે. ત્યાં થઈને બે જણા ગયા હોય, તો લડી જ પડે, મૂઆ. પ્રશ્નકર્તા : એટલે આ રૂમનું પણ વાતાવરણ હોય ને ? દાદાશ્રી : દરેકનું વાતાવરણ. તે આ રૂમમાં જે મહત્ત્વ છે, પેલા રૂમમાં ના હોય. પ્રશ્નકર્તા : અમુક ભૂમિમાં જઈએ તો જ્ઞાન આવે, અમુક ભૂમિએ જઈએ તો ક્રોધ આવે, તો ભૂમિ-ભૂમિમાં ફરક પડે છે? ક્ષેત્રે-ક્ષેત્રે જુદા જુદા ભાવ થાય એવું ખરું ? દાદાશ્રી : હા, દરેક ક્ષેત્રે ભાવ જુદો જુદો બદલાય. ક્ષેત્રનો હિસાબ તો બહુ.... ઝવેરી બજારમાં આવડી દુકાન હોય તો બહુ કિંમત, અને બીજે ગમે તે મોટી હોય એ શું કિંમત ? એટલે ક્ષેત્રની, એ જગ્યાની જ કિંમત એ. જ્ઞાન પછી જાત્રા શા માટે ? હવે આ જ્ઞાન પ્રાપ્ત થયું છતાં આ જાત્રા કરવાનું શું કારણ ? પ્રશ્નકર્તા : જ્ઞાનનો પ્રચાર વધે. દાદાશ્રી : ના, એટલા માટે નથી. પ્રચાર તો (પા.૬) કરવાનો જ નથી આ જ્ઞાનનો. જો પ્રચાર કરવો હોય તો તો ગામેગામ ઉપાધિ, મારે મુશ્કેલી ઊભી થાય. છતાંયે સ્ટેશન ઉપર લોકોએ દોડધામ કરી મેલી’તી. કારણ કે આવા ગરબા ગાય ને, એ બધું જુએ તે અજાયબી લાગે, કે કોણ છે આ ? જ્ઞાની પુરુષ શું છે ? પણ આ પૂર્વકર્મની નિર્જરા કરે છે. શું કરે છે ? પ્રશ્નકર્તા : પૂર્વકર્મની નિર્જરા. દાદાશ્રી : હા, તે સમભાવે પાછી. કેવી ? પ્રશ્નકર્તા : સમભાવ છે. દાદાશ્રી : હા, એ આ કર્તાભાવે નથી જાત્રા કરતા. નવું પુણ્યૈ બાંધવા માટે નહીં, જે છે એની નિર્જરા માટે. શું ? પ્રશ્નકર્તા : જે છે એની નિર્જરા માટે. દાદાશ્રી : આ સત્સંગેય શેને માટે કરવાના આ બધા ? એય નિર્જરા કરે છે. પ્રશ્નકર્તા : તો પછી જાત્રાના સ્થળે જવાથી અમારા જેવાને શો ફાયદો ? દાદાશ્રી : જ્ઞાન લીધા પછી તો ફાયદો એટલો જ કે આપણે ત્યાં આગળ જઈએ તો આપણા કર્મો કેટલાક નિર્જરે અને આપણે જઈએ છીએ તે કેવું, પૂરણ કરેલું હોય તો જ જવાય ને ? આપણે કંઈ ઓછું સ્વતંત્ર રીતે જવાનું છે ? પૂરણ હોય તો જ ગલન થાય ને ! પૂરણ ના હોય તો નાય થાય. પછી જે બને એ જોયા કરવાનું. પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધા પછી તીર્થસ્થાનોમાં જાત્રાએ જઈએ ને, એ તીર્થસ્થાનોમાં જવાની જરૂર છે ? દાદાશ્રી : કોઈ ચીજની જરૂર નથી. છતાંય જવું પડે તો જવું પડે. તીર્થમાં જવું પડે પણ જરૂર કોઈ જગ્યાએ કોઈ ચીજની નથી રહી. દેરાસરમાં દર્શન કરવાનીય જરૂર નથી ને ! તે કર્મના ઉદયે જવું પડે એ બધે જવું પડે. કર્મના ઉદય પ્રમાણે શરીર વર્તે. અમે તો આત્મા આપી દઈએ તો આત્માને જ એ કર્યા (પોષ્યા) કરવાનો. એટલું જ કરવા જેવું, આત્માનું જ. જ્ઞાન એટલે આત્મા હાથમાં પકડાવી દેવો, નિરંતર આત્મામાં જ રહેવાય એવું. જાત્રા એ ચારિત્રમોહનો નિકાલ પ્રશ્નકર્તા : જાત્રા કરી આવ્યા એ બધો ચારિત્રમોહને ? દાદાશ્રી : ત્યારે બીજું શું ? જ્ઞાન લેતાં પહેલાં જાત્રા કરી હતી એ તમારો મોહ હતો. ‘હું ચંદુભાઈ છું’ ને ‘આ જાત્રા કરું છું.’ હવે તમે શુદ્ધાત્મા થયા ને જાત્રા કરો છો એટલે ચારિત્રમોહ. હવે જાત્રાઓ કરવાની શેને માટે રહી ? ત્યારે કહે, આ જે માલ ભરેલો છે એનો તો ઉકેલ લાવવો પડશે. જે જથ્થાબંધ માલ ભર્યો છે એને વેચી તો દેવો પડશે ને ! તમે જાત્રાએ આવ્યા હતા તેય ચારિત્રમોહ. ત્યાં દર્શન કરતા હતા તેય ચારિત્રમોહ. આપણે એનો નિકાલ કરી નાખીએ છીએ. જાત્રાએય ફાઈલ જ છે ને ! ચારિત્રમોહનો નિકાલ કરો છો, તેનું ગ્રહણ નહીં ને ત્યાગેય નહીં. સમભાવે નિકાલ એટલે વીતરાગતા, રાગ-દ્વેષ નહીં. પ્રશ્નકર્તા : રાગ-દ્વેષ, તિરસ્કાર થયા હોય ? દાદાશ્રી : તે આ તિરસ્કારોનો નિકાલ કરવા માટે આ બધું ફેરવીએ છીએ. રાગ ને દ્વેષ કરેલા, તે આ ગમતું ત્યાં રાગ કરેલો હોય તેનોય નિકાલ કરવાનો, નથી ગમતું તેનો દ્વેષ કરેલો હોય (પા.૭) તેનોય નિકાલ કરવાનો. આ નિકાલ કરવા માટે તો જાત્રાઓ છે. આમાં બીજી કોઈ વસ્તુ નથી. અને ભેગું રહેવાય એટલો વખત. એટલો વખત એકસાથે ભેગા રહેવાય. પણ નિકાલ બહુ મોટી વસ્તુ છે, હા. આપણો અભિપ્રાય એવો રાખવો પ્રશ્નકર્તા : દાદા, પણ મંદિરમાં જઈએ ત્યારે મૂર્તિ પથ્થરની જોઈએ એટલે કંઈ ભાવ ના આવે, એવો ભાવ નથી આવતો. દાદાશ્રી : આય પથ્થરની જ છે. આ જે દેખાય છે તેય પથ્થરની છે. આંખે પથ્થર સિવાય કશું દેખાય નહીં. પ્રશ્નકર્તા : આ આંખે પથ્થર સિવાય દેખાય નહીં ? દાદાશ્રી : હા, ચેતન દેખાય નહીં. સમજ પડી ને ? પ્રશ્નકર્તા : પણ દાદા, ત્યાં જઈએ ત્યારે એવો વિચાર આવે કે એના કરતા કોઈ સંત પાસે ગયા હોત તો સારું હતું. દાદાશ્રી : એ બરોબર છે, વાત ખરી છે. પણ હવે તો જ્ઞાન મળ્યા પછી આપણે જવું એવું જ નહીં, શું બને છે એ જોયા કરવું. પણ અભિપ્રાયમાં એમ રાખવું કે ફાઈલોનો સમભાવે નિકાલ કરવો છે.આપણો અભિપ્રાય એવો હોવો જોઈએ. વિરાધના ધોવા માટે જાત્રા જ્ઞાની પુરુષ ને જાત્રા બે ભેગા હોય તો કેવી મજા આવે ? પ્રશ્નકર્તા : ખૂબ મજા આવે, પણ એનું પ્રયોજન શું ? દાદાશ્રી : પાછો પ્રયોજન ખોળે છે ! આના પ્રયોજનમાં કંઈ છોકરાં થવાના છે ? મુક્તિ થવાની છે આના પ્રયોજનમાં. પ્રયોજન શાનું ખોળવાનું ? વ્યવસ્થિત છે એ આવે તો માથે પડ્યું તો આપણે ઉકેલ લાવવાનો છે. શું કરવાનું ? આના કર્તા નથી, આ તો આપણે માથે પડેલું છે. તને સમજ પડીને ? પ્રશ્નકર્તા : હા, હવે સમજણ પડી. દાદાશ્રી : એ કેમ અત્યાર સુધી ન્હોતી પડતી ? પ્રશ્નકર્તા : અત્યાર સુધી એમ કે બધી આપણી વિરાધના જે કરેલી છે, યાત્રાધામમાં એની આરાધના માટે આ પ્રયોજન છે આપણું. દાદાશ્રી : હા, પણ એ વ્યવસ્થિત પાછું. પ્રશ્નકર્તા : વ્યવસ્થિત પ્રયોજન છે. દાદાશ્રી : હં... વિરાધનાઓ કરેલી, તે વિરાધના ઊડી જાય. આપણે તો માથે પડેલું ને, શોખને માટે નથી કરતા. માથે પડેલાનો નિકાલ કરીએ છીએ, ફાઈલોના. જે ઉદય આવ્યો તે ફાઈલનો નિકાલ. પ્રશ્નકર્તા : પણ યાત્રામાં અમે તો હોંશે હોંશે જૉઈન્ટ થઈએ છીએ ને ? દાદાશ્રી : હોંશ તો હોય જ બળી, હવે આવવાનું થયું એટલે. અત્યારે પૈણવું ના હોય ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળે. પણ એક દહાડો પૈણવાનો વિચાર થઈ ગયો પછી હોંશે જ કરે. નક્કી કર્યું ત્યારથી હોંશે ચઢે. અમને આ ગમતું હશે કંઈ ? પણ તેમાં હોંશ ના હોય એવું હોય નહીં ને ? આ બધા હોંશે હોંશે કરે તે જ સારું ને ? (પા.૮) પ્રશ્નકર્તા : એ સારું. દાદાશ્રી : આત્મા જાણે, એ કેવું કરે છે ! હોંશે હોંશે કરે છે, કેવું કરે છે ? આરાધનાથી તૂટે વિરાધના પ્રશ્નકર્તા : નિશ્ચયથી વિરાધનાઓ કરી હતી એ આ વ્યવહારથી આરાધના થાય. દાદાશ્રી : અને આપણે આ જાત્રા કરી આવ્યા. તે મને કહે છે, ‘આ દેવ-દેવીઓનું દર્શન કરવાની જરૂર હતી ?’ ત્યારે મેં કહ્યું, ‘ના, પણ આ લોકોની જોડે આપણે ડખલ કરી’તી, તે ડખલને આપણે સમાપ્તિ કરવા માટે ગયા છીએ.’ શું કહ્યું ? પ્રશ્નકર્તા : નિશ્ચયથી જે વિરાધનાઓ કરી તે વ્યવહારથી નમસ્કાર કરીને આરાધના કરવાની. દાદાશ્રી : હા, પણ જે વિરાધનાઓ ખૂબ કરી નિશ્ચયથી, તેને પછી વ્યવહારથી નમસ્કાર કરીને આપણે એનો ઉકેલ લાવવાનો છે. પછી એ જૈનોના હોય કે મુસ્લિમોના હોય કે ગમે તેના હોય પણ આપણે લેવાદેવા નથી. એટલે આ તેને માટે જાત્રા છે. જાત્રામાં બધે દર્શન કરવાના અમે જાત્રાએ જઈએ તો બધે દર્શન કરવાના. પક્ષવાળા તો કહેશે, ‘અહીં નહીં, અમે તો જૈન એટલે વૈષ્ણવના દર્શને ના જવાય.’ એમ બધે આડાઈ કરેલી. તે ભૂલ ધોવી તો પડશે ને ? તેથી અમે રામના, કૃષ્ણના, જૈનના મંદિરમાં બધે દર્શન કરવા જઈએ. અમારે અયોધ્યા ને સમ્મેત શિખર જાત્રા ગઈ’તી ! ત્યારે છે તે આપણે આ કેવો નિષ્પક્ષપાતી માર્ગને, એટલે કોઈ જગ્યાએ માતાજી હોય, ત્યાંય દર્શન કરવા જવાનું. એટલે અમે બધા આખી બસને રણછોડજીના મંદિરે લઈ ગયા. એ રણછોડજીના દર્શન કરી અને પછી બહાર નીકળ્યા એટલે આમાંથી કોઈએ કહ્યું કે આ રણછોડજી જાતે આવ્યા છે ! એટલે લોક તો પછી છોડે જ નહીં ને ! એ તો પછી આમ જોતાની સાથે જ લોકો દર્શન કરવા માંડ્યા. એટલે બ્રાહ્મણો બધાય, પૂજારીઓ-બૂજારીઓ, બધાય દર્શન કરી ગયા. પછી અમને પૂછે કે આપ રણછોડજી છો ? હું કહું કે હા, રણછોડજી. માગ, તારે જે માગવું હોય એ માગ. તું માગતો ભૂલું. આજ રોકડા આવ્યા છે રણછોડજી. એટલે ત્યાં બધાય ફરી વળ્યા’તા ને ? બધુંય ફરી વળે. પછી રામના મંદિરમાં જઈએ તો અમે કહીએ કે રામ છીએ. મહાવીરના દેરામાં જઈએ તો એમ કહીએ. અમે તો માતાજી-બાતાજી બધે જઈએ. આ બિચારી ગરીબ બઈઓ આવે છે ને, તે માતાજીને ત્યાં જઈએ, ત્યારે માતાજીને પાછા અહીંથી ખબર આપીએ કે આ બેનનું જરાક કંઈક જો જો. આપણા મહાત્માઓને માટે કહીએ. આ મહાદેવજીને કહીએ કે આ તમે આમનું જો જો જરા. અને અમારું તો માને, અમે તો વીતરાગી ! અમારું તો આખું વર્લ્ડ માને, કારણ કે અમે માન્ય કર્યું છે આખું. આખા જગતને માન્ય કર્યું છે. પાલિતાણાની જાત્રાએ દેવલોક હાજર જ્ઞાની પુરુષ તો જ્યારે નવકાર મંત્ર બોલે, જ્યારે મંત્રો બોલે ને, તો... પાલિતાણાની જાત્રામાં શું થયું’તું ? (પા.૯) પ્રશ્નકર્તા : ચોખાની વૃષ્ટિ થઈ’તી. દાદાશ્રી : એ નરી ચોખાની વૃષ્ટિ થઈ’તી. તે આ અમે વડોદરેથી પચાસ જણ આખી બસ લઈને ગયા’તા જાત્રા કરવા માટે. તે તમારા કચ્છમાં ગયા’તા ત્યાં આગળ... પ્રશ્નકર્તા : ભદ્રેશ્વર. દાદાશ્રી : ભદ્રેશ્વર ને એ બધે. અંબાજી, ભદ્રેશ્વર, મહેસાણા છે તે સીમંધર સ્વામીનું, શંખેશ્વર, બેચરાજી, મહુડી-મધુપૂરી, આપણે એ બધેય બસ ફેરવી. ભદ્રેશ્વર જઈ ત્યાં આગળ ભચાઉમાં રોટલા ખાધા’તા. અને પછી શ્રીમદ્ રાજચંદ્રના વવાણિયા ગયા. વવાણિયા જઈને રાજકોટ, રાજકોટથી પાછા જામનગર, જામનગરથી દ્વારકા, દ્વારકાથી પોરબંદર, વાંકાનેર, સોમનાથ, પાટણ. સોમનાથ જઈ અને પછી પાલિતાણા. અને પાલિતાણામાં આ (ચોખાનો) વરસાદ પડ્યો’તો. તે ૫ચાસ માણસ આપણું બેઠેલું અને બીજું બધું માણસ, બધા માણસ ઉપર ચોખા પડ્યા. તે હું મંત્રો બોલ્યો કે તરત જ ચોખા ગર, ગર, ગર, ગર... એવા જ્ઞાની પુરુષના મંત્રો... જ્ઞાની પુરુષ તો બોલે ને, તે દેવલોકો ત્યાં હાજર થઈ જાય. આ તો સમજ ના પડે તેને શું થાય તે ? જ્ઞાની પુરુષ મફતમાં જાય છે. સમજણ ના પડે એ હીરો નકામો. આપણને એની કિંમત ના સમજાય. ત્યાં પાલિતાણામાં કાકુભઈ કરીને બ્રાહ્મણ છે બ્રહ્મભટ્ટ, તે એ બે ભઈઓ કહે છે, અમે ઈન્દ્રભૂતિના વારસદાર છીએ, દાદા. એટલે આપના દર્શન થતા સાથે જ અમને ચિદાનંદ ઉત્પન્ન થયો. આમ પહેલી જ ક્ષણે ચિદાનંદ ! કોઈ કાળે એ ચિદાનંદ જોયો નથી, કહે છે. સાચા મહાદેવજીના દર્શન અમે જ્યાં મહાદેવજીનું દેરું હોય, ત્યાં આગળ જઈને અમે શું બોલીએ છીએ ? ત્રિશૂલ છતાંય જગત ઝેર પીનારો, શંકર પણ હું જ ને નીલકંઠ હું જ છું. આટલું બોલતાની સાથે મંદિરમાં પછી લોકો જાણે કે મહાદેવજી જાતે આવ્યા. એટલે બધા દર્શન કરવા દોડધામ કરી મૂકે. એ ઑફિસોવાળા હઉ. એમની ઑફિસો હોય ને, મહાદેવજીની. કોઈ બોલે જ નહીં આવું. મહાદેવજી હોય તો જ આવું બોલી શકાય, નહીં તો કોઈથી બોલાય નહીં. કારણ કે શિવલિંગ છે ને, તે માથા ઉપર બધો, સાપના ઢગલો નાખે જો કોઈ બોલે તો. મહાદેવજી અસલ હોય તો સાપનો ઢગલો ના નાખે. અમે તો દરઅસલ મહાદેવજી છીએ. તે દરેક મહાદેવજીના મંદિરમાં બોલીએ છીએ. દરેક મહાદેવજીના મંદિરમાં જ્યાં આવીએને, ત્યાં બોલવાનું જ. એટલે બધા આવીને ત્યાં દર્શન કરી જાય.તો આ જ સાચા મહાદેવજીના દર્શન થયા ને. સાચી ઓળખ આપી કરાવે દર્શન કૃષ્ણનું આવે ત્યાં આગળ અમારે ‘કૃષ્ણ હું છું’ બોલવાનું. એટલે લોકો દર્શન કરી જાય અને મહાવીરનું આવે તો ‘મહાવીર હું છું.’ તે આ બધા દર્શન કરી જાય. નહીં તો ઓળખાણ પાડ્યા વગર શી રીતે ખબર પડે લોકોને ? ખબર પડે ? તે ઓળખાણ પાડવી પડે. અને આ મુસ્લિમોના ખુદા કહેવાય, એનો ખુલાસો આપું ને, હું ખુદા કેવી રીતે ? ખુદને જાણે એ ખુદો. બીજો ખુદો કંઈથી લાવ્યો, મૂઆ ? અને આ ક્રિશ્ચિયનોનેય કહીએ છીએ કે અમે ક્રાઈસ્ટ છીએ, તારે જે જાણવું હોય તે પૂછી લે બધું તારું. એમના સાયન્ટિસ્ટોને અમે (પા.૧૦) કહી દઈએ છીએ કે અમે ક્રાઈસ્ટ છીએ, તારે જે જાણવું હોય એ જાણી લે. અને તમારા ઝઘડા બધા પતાવી આપીશું. નિશ્ચય મળ્યો, પણ વ્યવહાર ચૂકવો નહીં આ જૈન પુદ્ગલ અને પેલું વૈષ્ણવ પુદ્ગલ બેઉ સામાસામી, અમારી જોડે આવે તે બધાય સમ્મેત શિખરની જાત્રા કરે. પણ રસ્તામાં જ્યાં જ્યાં કંઈ એ જાત્રાનું ધામ હોય ત્યાં દર્શન કરવાના વ્યવહારથી. નિશ્ચયનું તો આપણી પાસે છે, પણ વ્યવહાર ચૂકવાનો નહીં. વ્યવહાર ડિસ્ચાર્જસ્વરૂપ છે. પહેલા ફિલમ પડી ગઈ છે, તેનો વ્યવહાર કરવાનો છે. નવો નહીં, એટલે અમે જ્યાં જઈએ ત્યાં દેરાસર આવે તો દેરાસરમાં, વૈષ્ણવોનું ધામ આવે ત્યાં વૈષ્ણવોનું. માતાજીનું સ્થળ આવે તો માતાજીનું, બધે જવાનું. અને એકામત-એકાજત કોઈને કશું વાંકેય નહીં ને વાંધોય નહીં, કશુંય નહીં. કારણ કે આપણે આત્મા છીએ હવે, આપણે આ વ્યવહાર તો બધો નિકાલી છે. વ્યવહાર નિકાલી છે, ગ્રહણીય નથી આ. જૈનો જૈન પુદ્ગલ ખલાસ કર્યા કરે, વૈષ્ણવો વૈષ્ણવ પુદ્ગલ ખલાસ કરે. બધા પોતપોતાનું પુદ્ગલો ખલાસ કરવાના. વૈષ્ણવોને જૈનના મંદિરમાં વાંધો નથી, કોઈને વાંધો નથી, કેમ કે આપણે આત્મા છીએ. માથેરાનની જાત્રા વખતે અમે એક ફેરો અહીંથી જાત્રાએ જતા’તા માથેરાન, તે દાદર સ્ટેશન પર બેઠા’તા. તે સાડા છ થયા તે બત્તીઓ બધી એકદમ બંધ થઈ ગઈ. ત્યારે મેં બધાને કહ્યું કે આ બત્તીઓ કેમ એકદમ બંધ કરી ? ત્યારે કહે છે, ‘દાદા, અજવાળું થયું એટલે.’ ત્યારે મેં કહ્યું, આપણે આત્માનું અજવાળું થયું એટલે પેલી બત્તી બંધ કરી દો. મૂરખેય ચાલુ ના રાખે. એ બત્તીને લઈને તો આ બધો ડખો છે. એ બત્તીઓની જરૂર નથી, બંધ કરી દેવી જોઈએ. અમે અબુધ છીએ, આ બુદ્ધિને લઈને તો મોઢા દીવેલ પીધા જેવા દેખાય. મોઢા પર જાણે દીવેલ ફરી વળ્યું હોય ! બુદ્ધિની જરૂર નથી. આપણે કહી જ દેવાનું બુદ્ધિને કે ‘બા, તું બેસ. બહુ દહાડા તેં કામ આપ્યું છે. તે હવે તને પેન્શન આપી દઈશું. તારું પેન્શન ચાલુ છે.’ આ તો બુદ્ધિનો અમલ આવે છે. જ્યાં આવડો મોટો પ્રકાશ થયો, આખા વર્લ્ડનો પ્રકાશ ઉત્પન્ન થયો, અને ત્યાં બુદ્ધિનો, હવે આ દીવો શું કામ સળગાવી રાખ્યો છે ? એટલે અબુધ થવાની જરૂર છે. અમે અબુધ થઈને બેઠા છીએ. અમે શા માટે એમ કહીએ છીએ કે અમે અબુધ થઈને બેઠા છીએ ? આ બુદ્ધિવાળા તો ક્યારે બુદ્ધુ થઈ જાય તેનું ઠેકાણું નહીં. આ બધા બુદ્ધુ થઈ ગયા. દાદાને બુદ્ધિ સોંપી દેવી, એટલા સારુ. ગીરો નહીં મૂકવાની, કાયમની સોંપી દેવાની. જાત્રામાં પ્રકૃતિનો અનુભવ જાત્રામાં તને પ્રકૃતિનો એવો અનુભવ થયેલો કોઈ ? પ્રશ્નકર્તા : હા, ખરું ને, દાદા. નહાવા માટે પહેલું દોડવાનું ને, જાત્રામાં વધારે દેખાય. દાદાશ્રી : એ ચડવામાં, ઉતરવામાં, બધામાં સ્વાર્થી, એનો એક્કો જુદો જ હોય. પ્રશ્નકર્તા : એની નજર જ ત્યાં હોય, એનું લક્ષ્ય જ ત્યાં હોય. દાદાશ્રી : એ પ્રકૃતિને ભલે હોય, પણ એને (પા.૧૧) ગમે છે માટે. હજુ તો એને ખબર જ નહીં પડી હોય. આ તો મેં સમજણ પાડી ત્યારે. તે દરેક વખતે સમજણ પડવી જોઈએ, કે આમ ન હોવું જોઈએ, આમ કેમ થાય છે ? તો જે થાય છે એ પ્રકૃતિ. પણ તમને ખબર પડવી જોઈએ કે આમ કેમ થાય, આમ ન થવું જોઈએ હવે. પ્રશ્નકર્તા : તો એ પ્રકૃતિ. દાદાશ્રી : હા. હજુ નહાવાની કેમ ઉતાવળ થાય છે, વહેલું ખઈ લઉં એ કેમ ઉતાવળ થાય છે, એ બધું ભાન રહેવું જોઈએ. ના રહેવું જોઈએ? તો એ ભાન નહીં રહ્યું, તેની આ ભૂલ થયેલી. ભાન રહે તો પ્રકૃતિને થાય ને ! એ જે પ્રકૃતિ લાવ્યો છે, એ રીતે આ પ્રકૃતિ ઉકલે છે. પ્રશ્નકર્તા : પ્રકૃતિ દેખાય પણ એ વાળી ના શકાય. દાદાશ્રી :એટલે પાછું એ જરા વધારે કહેવાય. જ્યાં સુધી ગાંઠે નહીં ત્યાં સુધી એની જોડે ચાલુ રાખવું પડે ને પછી જ્યારે ત્યારે ગાંઠે હંમેશાં. પ્રકૃતિ જેને જીતવી જ છે, એને હરાવનાર કોઈ છે નહીં. જાત્રામાં ખપે પ્રકૃતિ દરેકની પ્રકૃતિ હોય અને એ પ્રકૃતિ ખપાવે તો ભગવાન થાય. પોતાની પ્રકૃતિને પોતે જાણે તો ભગવાન થવાની શરૂઆત થઈ ગઈ. અને એને ખપાવી દે, જાણ્યા પછી સમભાવે નિકાલ કરીને. પોતાની પ્રકૃતિને જુએ, કે શું શું, કોની જોડે, ચંદુભાઈ બીજા જોડે શું કરે છે ? એ પોતે જુએ. પ્રકૃતિને જોયા કરે એનું નામ જ ખપાવવાનું. વહેવારમાં ખપાવવું એટલે સમભાવથી ખપાવવું. મનને ઊંચું-નીચું થવા દે નહીં. કષાયોને મંદ કરીને બેસી રહેવું ને ખપાવ્યા કરવા એ ખપાવ્યા કહેવાય. બીજાને અનુકૂળ થતાં આવડે, એને કોઈ દુઃખ જ ન હોય. માટે ‘એડજસ્ટ એવરીવ્હેર.’દરેક જોડે ‘એડજસ્ટમેન્ટ’ થાય એ જ મોટામાં મોટો ધર્મ. આ કાળમાં તો જુદી જુદી પ્રકૃતિઓ, તે ‘એડજસ્ટ’ થયા વગર કેમ ચાલે ? આ બહારવટિયા મળી જાય તેની જોડે ‘ડિસ્એડજસ્ટ’ થઈએ તો એ મારે. એના કરતાં આપણે નક્કી કરીએ કે એને ‘એડજસ્ટ’ થઈને કામ લેવું છે. પછી એને પૂછીએ કે ‘ભઈ, તારી શી ઈચ્છા છે ? જો ભઈ, અમે તો જાત્રા કરવા નીકળ્યા છીએ. તેને એડજસ્ટ થઈ જઈએ.’ હિસાબ હોય તો જ કરડે પ્રશ્નકર્તા : આપણે જાત્રામાં ગયા ત્યારે આપના ડબ્બામાં તો કેટલા બધા માંકણ હતા ! દાદાશ્રી : હા, તોય મને અડતા નહોતા. જેટલા લોક આ માંકણ મારવાની હિંસા કરે છે ને, તેમને જેટલા માંકણ કરડે છે તેટલા મને નથી કરડ્યા. તમારી પથારીમાં માંકણ મૂકે ને તમને ના કરડે તો જાણવું કે એની સાથેનો તમારો હિસાબ ચૂકતે થઈ ગયો. આ માંકણ બિચારા કેટલા બધા ડાહ્યા છે ! આ અમારી ઉપર ફરે છે તે કરડતા નથી, કારણ તે જાણે છે કે આ મારવાના નથી. જાત્રામાં તૂટે ગાંઠો બધી પ્રશ્નકર્તા : દાદા, જાત્રામાં જઈએ ત્યારે કોઈ આપણને કહે કે આ કરવું બરોબર છે, આ કરવું બરોબર નથી. એ મારી માન્યતામાં ન આવે. એટલે પોતે ના જ પાડે. (પા.૧૨) દાદાશ્રી : એ જ કહું છું ને, એની આડાઈ આપણને ઉઘાડી પાડી આપે. એ આડાઈ નીકળી જશે ત્યારે મોક્ષ થશે. ત્યારે આ બધા ભૂતાં નીકળી જશે અને સરળ થઈ જશે. ત્યારે કહે છે, એક તો સરળ થઈ જવો જોઈએ ને બીજું, નમ્ર. સામો વેંત નમે ત્યાર પહેલા તો આખોય નમી જાય. અને નહીં તોય કોઈ ના નમે, અકડાઈ કરે તેની જોડેય નમે પેલો. મનુષ્યનો સ્વભાવ કેવો ? સામો અકડાઈ કરતો હોય તો એ અકડાઈ કરે. પણ ત્યાંય નમે, તો એ મોક્ષે જવાની નિશાની કહેવાય. પછી નિર્લોભતા હોય. લોભ, તે લોભે જ પકડી રાખેલા ને લોકોને. કોણે પકડી રાખ્યા મોક્ષે જતા ? પ્રશ્નકર્તા : લોભ, મમતા. દાદાશ્રી : તેથી ભગવાને કહેલું ને કે જાત્રાએ જઈ આવજો, આમ કરી આવજો ને પૈસા વાપરી નાખજો. વપરાય એટલે લોભની પેલી ગાંઠ ઓછી થઈ જાય. નહીં તો નવ્વાણુંના ધક્કાની પેઠ રૂપિયો ઉમેરે રોજ. એટલે આ બધા ગુણો આવવા જોઈએ. લોભિયાની ગતને લોકો સમજી શકતા નથી. કૃપાળુદેવ સારું સમજી શક્યા. તે એટલે સુધી કે જાત્રાએ જવાથી લોભની ગાંઠ કપાય. તમે વાંચેલું ? પ્રશ્નકર્તા : હા, તીર્થયાત્રામાં પૈસા ખર્ચ્યા એટલે. દાદાશ્રી : પૈસા ઓછા થાય એટલે એ ગાંઠ કપાય. જે તે રસ્તે પૈસા આમનાથી નખાવડાવો. પ્રશ્નકર્તા : આ કેવું ઓપરેશન કહેવાય ? દાદાશ્રી : જે તે રસ્તે ઓપરેશન કરીને આ ગાંઠ કાઢી નખાવડાવજો. માની હોય તેને કશી જરૂર નથી. માનીને કશું વઢવાની જરૂર નથી. માની ના હોય તે નફ્ફટ થઈ ગયેલો હોય, તો લોભ ચઢી બેઠેલો હોય ! જેટલું બને એટલું કરવું પ્રશ્નકર્તા : જાત્રાએ આપણે જઈએ અને જે બધા ભિખારી લોકો હોય, એ પૈસા માંગતા હોય તો એમાં એંસી ટકા આપણને સારા દેખાતા હોય ને પૈસા માંગે તો આપણે ત્યારે શું કરવું ? પૈસા આપવા, ના આપવા અથવા ભાવ કેવો રાખવો ? દાદાશ્રી : કેવો માણસ માંગે છે ? પ્રશ્નકર્તા : બધા સારા દેખાતા હોય, કપડું સારું પહેર્યું હોય, સિગરેટ પીતો હોય, છોકરી લઈને બાઈ માંગતી હોય ને છોકરીના પગમાં તો ચાંદીની ઝાંઝરી પહેરાવી હોય, સ્ત્રી માંગતી હોય ને એણે કપડાં સારા પહેર્યા હોય. દાદાશ્રી : એવું છે ને, માગનારા કંઈ બાર મહિનામાં લાખ નથી આવતા. બહુ ત્યારે દસ-વીસ-પચ્ચીસ આવે ! એક રૂપિયો આપી દઈએ, પણ અપમાન ના કરીએ. પ્રશ્નકર્તા : હા, બસ. ‘આગળ જા’ એમ નહીં બોલવાનું ? દાદાશ્રી : જો લાખ આવવાના હોય તો આપણે ના પાડી દેવી પડે. આખી જિંદગીમાં હિસાબ કાઢીએ તો બહુ ત્યારે આવા કોઈ જગ્યાએ હોય તો પાંચ-દસ માણસ હોય. એ કંઈ કાયમનો નિયમ નથી એવો. ઊંચો મૂકવો કેસ. ચાર આના આપીને, આઠ આના આપીને, રૂપિયો આપીને પણ તે કેસ ઊંચો મૂકવો. અને ના આપવું હોય (પા.૧૩) તો એનામાં શુદ્ધાત્મા જોઈને ના આપવું, પણ તરછોડ ના વાગે એવું બોલવું. ના આપવાનોય વાંધો નથી, પણ બોલવું નહીં કશું. એને તો એના અહંકારની કિંમત નથી, જ્યારે આપણે તો આપણા અહંકારની કિંમત હોય કે ના હોય ? પ્રશ્નકર્તા : આપણે આપીએ અને ઊંધે રસ્તે વાપરે તો આપણને દોષ લાગે ? દાદાશ્રી : આપણે એવું કશું નહીં, પછી એ જઈને દારૂ પીએ કે જે કરે તે. આપણો એ હેતુ નથી, આપણો હેતુ એને દુઃખમાંથી મુક્ત કરવાનો છે. પ્રશ્નકર્તા : આ જાત્રાએ જઈએ ને, ત્યારે આવું ઘણું થાય. અને વધારે શું થાય, છૂટા પૈસા હોય નહીં એટલે તકલીફ થઈ જાય. દાદાશ્રી : એને રૂપિયો આપી દેવો... પ્રશ્નકર્તા : પણ રૂપિયોય છૂટો ના હોય, દાદાજી. કોઈ રૂપિયોય છૂટો આપતું નથી. દસ-દસની નોટ કે પાંચની નોટ સિવાય કોઈ નોટેય હવે આપતું નથી. દાદાશ્રી : ના, એવું કશું હોતું નથી. જેટલું બન્યું એટલું તો કર્યું, આ તો ના બન્યું તો કંઈ નહીં. આપણે એવું કંઈ કાયદો નથી કે આપવા જ જોઈએ એવું. અને મહીંથી કંઈ એમેય થઈ જાય કે ના, ના, પાંચ આપી દઉ. પાંચેય આપી દેવાય, એની રાહ ના જોવી પછી. એક ઉતારવાને બદલે બીજા દસ લાવ્યો હવે જાત્રાને માટે કબીર સાહેબે લખ્યું, તીરથ ચલા નહાને કો, મન મેલા ચિત્ત ચોર, એકહુ પાપ ન ઉતરા, લાયા મન દસ ઔર. શું કહે છે ? તીરથ નહાવા માટે એટલે, ત્યાં નાહીશું એટલે પવિત્ર થઈશું ગંગાજીમાં, તો મારું પાપ ધોવાશે એટલા હારુ તીરથ આવ્યો. તે તીરથમાં નાહ્યોય ખરો. પણ નહાતી વખતે પંડા (બ્રાહ્મણ) જોડે ઝઘડો કર્યો, આની જોડે ઝઘડો કર્યો, પાછા પેલા મછવાવાળા જોડે ઝઘડો કર્યો એટલે ઘેર ઊલટો લાવ્યો દસ પાપ. એક પાપ ઉતાર્યું તો નહીં પણ બીજા દસ ઘેર લાવ્યો. એ આપણા હિન્દુસ્તાનની સ્થિતિ ! આપણા બધાય જાત્રાએ જાય છે ને, તે ઘેર દસ લેતા આવે છે. એટલે કબીર સાહેબે એકલાએ જ આ જાગૃતિ આપી લોકોને કે અલ્યા ભઈ, તમે શું કરવા આવી જાત્રાએ જાવ છો ? તમે દસ લઈને આવતા હોય તો એવી જાત્રાએ ના જશો. અને જાત્રાએ જાવ તો મહીં મનનું સમાધાન રાખો, કે ભઈ, દસ દિવસ કે મહિનાની જાત્રા છે, ત્યાં આપણે ડાહ્યું રહેવું જોઈએ. સંસારમાં ડખોડખલ કરીશું પણ અહીં નથી કરવી. પણ જાત્રામાં તો લોક પંડાઓને મારીને હઉ આવે છે. આપણે જ્યાં જાત્રામાં જઈએ ત્યારે એવું રાખવું કે કોઈને દુઃખ ના પહોંચે. ત્યાંના નિયમો પાળવા જોઈએ. અથડામણને પણ અમે જોઈએ અમે બધા પાંત્રીસ જણ ચાલીસ દિવસની જાત્રાએ ગયેલા, આખી બસ કરીને. ત્યાંય અમારે તો નો લૉઝ (કોઈ કાયદો નહીં). તે પછી એવું નહીં કે કોઈની જોડે વઢવાનું નહીં. જેની જોડે લઢવું હોય તેની જોડે લઢવાની છૂટ. તે લઢવાની છૂટ આપવી એવુંય નહીં ને ના આપવી એવુંય નહીં. તે જો લઢે તો ‘અમે’ જોઈએ. પ્રશ્નકર્તા : એ લડવાની છૂટ તો પહેલી જોઈએ બધા માણસને. (પા.૧૪) દાદાશ્રી : લડવાની છૂટ આપેલી. કારણ કે બધાને કહેલું કે ભઈ, નો લૉ લૉ છે એટલે જેટલું લડવું હોય એટલું લડજો. લડવાથી માલ હોય તે નીકળી જાય. અને સામસામી લડવાથી ખબર પડે કે આ હારી મહીં હજુ નબળાઈ છે. અને પછી પ્રતિક્રમણ કરે એટલે શક્તિ ભરાય. તે ખૂબ લડતા’તા બધા, નહીં ? પ્રશ્નકર્તા : ધડાધડી થતી’તી, ફટાકડાય ફૂટે. પણ આ ફટાકડા ના ફૂટે તો દિવાળી ક્યાંથી થાય ? દાદાશ્રી : પછી પ્રતિક્રમણેય એટલા સરસ કરે, તે કંઈ અજાયબ શક્તિ ઉત્પન્ન થાય. લડ્યા વગર પ્રતિક્રમણ શાનું કરે તે બળ્યું ? આ તો અનંત અવતારની ઓળખાણ છે. એટલે પ્રતિક્રમણ કરવાથી ફાયદો થાય આજે. આપણી જાત્રામાં છે તે ઔરંગાબાદવાળા ને આ વડોદરાવાળા બે જોડે આવતા હતા. હવે સવારે જે દૂધની ચા બનાવવાની છે, એ દૂધમાં જ બેઉ જણ મીઠું નાખ નાખ કરે. પણ બીજે દહાડે સવારમાં ચા બનાવે તો ફર્સ્ટ ક્લાસ ચા બને ત્યારે મેં કહ્યું, આ તો અજાયબી કહેવાય ! સવારમાં પાછા એક જ થઈ ગયા હોય બધાય. બપોરે લડવાનું અને સાંજે આરતી વખતે એક, તે કેવું ? કો’કને એમ જ લાગે કે હમણે આ બસમાંથી ઊતરી પડશે. જાત્રામાં બે ઝઘડતા હોય ત્યારે મહીં જ્ઞાતા-દ્રષ્ટા ને બહાર જગત આવું જ હોય એમ અમને રહે. એકને વાળવા જઈએ ને એકને ઠારવા જઈએ તો બેઉનું બગડે. એના કરતા બેઉ લઢને બા. તેને અમે જોઈએ. અવસ્થાને જોઈએ. આ જાત્રામાં ગમે તેવી અવસ્થા આવે તોય અમે ચોંટ્યા નથી. અમે અવસ્થાને ઊભી ના રાખીએ. ત્રણ મિનિટ ઊભી રાખીએ તો બધાની લાઈન થઈ જાય. સમજાય છે આ? આપણા મહાત્માઓને વીતરાગતા રહે પણ દરઅસલ ના રહે. કેટલાક તો હસબન્ડ-વાઈફ બેઉ લડે. હું બુદ્ધિ વાપરું તો મારી શી દશા થાય ? કેમ તું આ બાઈને લડ્યો’તો, એમ કરીને ચાલ્યું બધું. અને હું તો એ જ્ઞાનને જાણું છું કે શાના આધારે એ લડે છે ? એ શાના આધારે, શું કરી રહ્યો છે એ બધું જાણું છું, પછી એને આપણે શી રીતે કહીએ કે તું કેમ લડ્યો ? ચાલીસ દહાડાની જાત્રાના પ્રતિક્રમણ આ ચાલીસ દહાડાની જાત્રામાં ગયા’તા ને, તે રોજ એક વખત પ્રતિક્રમણ કરવાનું મેં કહ્યું’તું. તે પછી બધા કહે છે, બે વખતનું કરો. તે બે વખતનું કરેલું. રાત્રે પાછા બધા ‘અમારી’ સાક્ષીએ પ્રતિક્રમણથી ધોઈ નાખે ! સામસામા ડાઘા પડે અને પાછા બધા ધોઈ નાખે ! આ પ્યૉર ‘વીતરાગ માર્ગ’ છે, એટલે અહીં કૅશ-રોકડા પ્રતિક્રમણ કરવા પડે. આમાં પખવાડિક, માસિક પ્રતિક્રમણ ના હોય. દોષ બેઠો કે તરત જ પ્રતિક્રમણ. આ પ્રતિક્રમણ છે ને, આ તો અપવાદ છે. આ અક્રમ જેવું ! આવા પ્રતિક્રમણ હોય નહીં, અને જો થઈ ગયા એનું કામ જ નીકળી ગયું. આ તો એક કે બે દહાડાના થશે વખતે, પણ જો તે દહાડે તો કેટલા થતા’તા ત્યાં ચાલીસ દહાડાની જાત્રામાં ? તેની શક્તિઓ બધી બહુ વધી જાય પછી, આત્માની પુષ્ટિ થઈ જાય. આત્મા સહજ થતો જાય, આત્મા પુષ્ટ થતો જાય. આત્મા શક્તિવાળો જ છે, પણ સહજતા ઉત્પન્ન થઈ જાય એટલી શક્તિ વધી કહેવાય. (પા.૧૫) કોઈ ભેદ-જુદાઈ જાત્રામાં ના મળે અહીં કોઈને ખોટું લાગે નહીં, કારણ કે બધા સમભાવે નિકાલ કરવાવાળા મહાત્માઓ છે અને દસ-બાર વર્ષથી આ મહાત્માઓ અહીં છે. પણ બધાનો એક જ મત અને એક જ અભિપ્રાય. ક્યારેય પણ મતભેદ જ નહીં. જાત્રાએ જઈએ તોય એકુંય મતભેદ જ નહીં. તે ચાલીસ દિવસમાં એક ક્ષણ પણ આમ ભેદ ઉત્પન્ન નહીં થયેલો. બધા પોતાના જ લાગે. પેલું ભેદ જ ઉત્પન્ન ના થાય. મતભેદ જેવી વાત જ નહીં. પ્રશ્નકર્તા : થર્મોમીટર તૂટી જાય તો અંદરનો પારો તૂટી જાય પણ પાછો ભેગો કરીએ તો એક થઈ જાય. દાદાશ્રી : ભેગો થઈ જાય પાછો. એટલે આ જ્ઞાન વિશેષ એવું છે ને, મારી હાજરી હોય ને, ત્યાં સુધી બધાને છૂટ આપેલી, કે કાયદો-બાયદો અમારે ત્યાં નથી હોતો. આખા વર્લ્ડમાં બધે લૉ હોય, કે તમારે અહીંયા આવી રીતે બેસવું, આવી રીતે આટલા વાગે આવવું, એવું અહીં નો લૉ. કોઈ લૉ નહીં. લૉ હોય તો સંકલ્પ-વિકલ્પ ઊભા કરાવે. અહીં લૉ વગરની આ બધી વાત ! એટલે ત્યાં આગળ બસ લઈને જાત્રામાં જઈએ ને, ચાલીસ દહાડા રહેલા પણ લૉ નહીં, એટલે લઢવાનીય છૂટ હોય એવું. જો ઝઘડી પડે તો તે અમે જોયા કરીએ, બસ. એ બે ઝઘડતા હોય, પેલો આમ કરતો હોય, પેલો આમ કરતો હોય. એ બધું જોયા કરીએ. અને રાતે પછી બધા ધોઈ નાખે પાછા. અમારી હાજરીથી કૃપા પ્રાપ્ત કરીને ધોઈ નાખે તો પાછી બીજે દહાડે એકતા લાગે બધાને ! બીજે દહાડે સંપૂર્ણ એકતા વર્ત્યા કરે. જાત્રામાં બધા મહાત્માઓને, ચાલીસ જણને જમવા બોલાવ્યા’તાતે બધા જમવામાં પણ એવી રીતે સાથે હોય કે કોઈને ખબર ના પડે. આ એક જ માણસ જમનારો છે એવું લાગે ને આ જમનારા ચાલીસ હતા. ઘરધણીને ખબર ના પડે કે કેવી રીતે પીરસાયું, કેવી રીતે થયું ! એટલે આ અજાયબી છે, આ બધી બાબતમાં અજાયબી છે ! વર્તનથી માંડીને ઠેઠ સુધીની અજાયબી છે, આ આશ્ચર્ય છે ! એટલે એ આશ્ચર્યમાં આપણું કામ થઈ ગયું. આપણા સંઘની પ્યૉરિટી એક મહાત્મા કહે છે, ‘મારે આખા સંઘને મારે પૈસે લઈ જવા છે.’ મેં ના કહી. મેં કહ્યું, આવું તોફાન ના માંડશો. હજુ તો બધા બહુ કામ કરવાના છે. સહુ સહુના પૈસા લઈને આવશે હજાર-હજાર, પંદરસે-પંદરસે રૂપિયા. બધું ખર્ચી નાખશો, પાછી ફરી જરૂર પડશે. બહુ કૂદાકૂદ ના કરીએ. ધર્મની બાબતમાં રીતસર રહીએ. કારણ કે તમારે હજુ વહેવારમાં રહેવાનું છે. હજુ કંઈ ઊડી ગયા નથી. એ તો ધીમે ધીમે ઠીક છે. ચાર આનાય છે તે ખાનગી કોઈનો વપરાશ ના હોય. સંઘના પૈસા એમાં જ જવાના. ઘરે બીજા બધા પોતાના પૈસાથી જ બધું કરે. એ પછી સંઘપતિ હો કે નીરુબેન હોય, કોઈ સંઘનું વાપરે નહીં ને ! દરેક પોતાના પૈસાથી પોતાના ખર્ચા કાઢે. પ્રાયવસી (ખાનગી) નહીં આ સંઘમાં, કોઈ પણ જાતની. પ્રશ્નકર્તા : પ્રાયવસી નહીં. દાદાશ્રી : પછી કોઈ કાયદો નહીં, નો લૉ-લૉ. કોઈ પણ પ્રકારનો કાયદો નહીં. પચાસ હજાર માણસ ભેગું થાય ને, પણ કાયદો નહીં. ‘તમે આમ કેમ બેઠા છો ?’ એવું અહીં કહે નહીં કોઈ. અને બીજી જગ્યાએ તો સત્સંગમાં બેઠા હો તો એ આમ કરાવડાવે. (પા.૧૬) હું જ નાનપણમાં એક જગ્યાએ ગયો હતો. તે આમ કરીને મેં જરા પગ ઊંચો કર્યો ને, તો ‘એ, એ’ કરવા માંડ્યા. મેં કહ્યું, ‘હવે ફરી નહીં આવું.’ તે દહાડે કર્યું એના કહ્યા પ્રમાણે. કાયદા વગરનો આ એકલો જ સંઘ એવો છે, કાયદો બિલકુલ નહીં. નો લૉ લૉ. લૉ કયો ? ત્યારે કહે, નો લૉ લૉ, સાહજિક બધું. આપણા મહાત્માઓ જેવા જોવા ના મળે તે પાંચસો માણસ જોડે જ્યારે જાત્રાએ ગયા’તા ને, એમાં એક જ જણ કહેનાર મળ્યો. આટલા બધા ગામ ગયા પણ એકુંય ગામમાં કોઈ કહેનાર મળ્યો નહીં. કારણ કે સહુ સહુના કામમાં પડ્યા’તા ને સહુ સહુના તરફડામણમાં જ છે લોક, કોઈની તપાસ કરતા જ નથી કે બધું શું છે ને શું નહીં ? કોઈ તપાસ જ કરતું નથી. પણ એક માણસ સ્થિરતાવાળો માણસ મળ્યો. તળાજામાં મુનિ હતા, એ મને કહે છે ‘સાહેબ, આ પાંચસો માણસ જાત્રાએ આવ્યું છે, પણ કોઈ ડખો નહીં, ડખલ નહીં, ઘોંઘાટ નહીં, રઘવાટ નહીં, તોફાન નહીં. પચાસ માણસ આવે અમારે રોજ તો ભાંજગડ ને તોફાન ને કકળાટ હોય છે. આ તમારું શું છે ?’ મેં કહ્યું, ‘આ તમે એકલા જ સમજ્યા, બાકી આ બધે જ જઈને આવ્યા પણ કોઈ સમજ્યું નથી.’ અને આવો કોઈ ખુલાસોય કરતું નથી. કારણ કે આ પાંચસો માણસ હોય ત્યાં કશુંય ભાંજગડ થતાં વાર જ ના લાગે. બધા કેવી શાંતિથી નિકાલ કરે છે ! અઢીસો થાળીઓ હોય પણ પાંચસો માણસ જમવાના હોય, તો જમી શકે આ બધા. દોઢસો માણસનું જમવાનું કર્યું હોય તો આ પાંચસો માણસ જમી શકે. એટલે આ પાંચસો મહાત્માઓ, એની ક્યાં વાત થાય ? આ દુનિયામાં આવા માણસો જ જોવાના મળે નહીં કે જેમ વાળ્યા હોય એમ વળે. જેમના વાળ્યા હોય એવું વળે. જાત્રાનો આનંદ જાણે નિરંતર મોક્ષ અહીંથી લોનાવલા ત્રણ દહાડા જાત્રાએ ગયા’તા, પચાસ માણસની બસ લઈને. તે બસમાં ગયા’તા ને, ત્યારે બે-ત્રણ જણ મને કહેવા આવ્યા. મને કહે છે, ‘આવો આનંદ કોઈ કાળે જોયો નથી !’ ત્યારે મેં કહ્યું, ‘જાણે મોક્ષમાંથી આવ્યા હોય, એવું લાગે છે ?’ ત્યારે કહે, ‘હા, મોક્ષમાંથી જાણે ફરવા આવ્યા હોય, એવું લાગે છે. આ ત્રણેવ દહાડા એવા ગયા !’ ત્યાં જાત્રામાં કંઈ મજા આવી’તી તમને ? પ્રશ્નકર્તા : ખૂબ મજા આવી. દાદાશ્રી : જાત્રા કરાવનારનેય ધન્ય છે ને જાત્રા તે કેવી થઈ ! નહીં ? પચાસ માણસ એય નિરાંતે જાણે કે આમ મોક્ષમાંથી અહીં ફરવા ના આવ્યા હોય ત્રણ દહાડા, એય નિરંતર મોક્ષ ! ખાતા-પીતા, ખાવા-પીવાનું બધુંય, પણ નિરંતર મોક્ષ જ. જાત્રામાં જ્ઞાની જોડે રહેવામાં ખરી મજા પ્રશ્નકર્તા : એ દાદાની સાથે જાત્રાનું બહુ યુનિક છે, હં. દાદાશ્રી : હમણે ત્રણ હજાર માણસ મારી જોડે આવે તો બધા રોડ ઉપર બેસી જાય હડહડાટ. અને પાથર્યા-કર્યા વગર બેસી જાય. સૂઈ જવાનું કહીએ તો બધા સૂઈ જાય. એથી આ દુનિયાને તો અજાયબી લાગે ને કે આ કઈ જાતના ? અને પાછા મોટા મોટા શ્રીમંતો હોય. શ્રીમંતો પૈસાથી ના ઓળખાય પણ મોઢા ઉપરથી તો ઓળખાય ને કે આ તો ભઈ કંઈ જુદી વ્યક્તિઓ છે ! મોઢા ઉપરથી ખબર પડે કે ના પડે ? મોઢા ઉપરથી ખબર ના પડે ? પ્રશ્નકર્તા : હા, પડે, પડે. (પા.૧૭) દાદાશ્રી : કે આ નીચે સૂનારી વ્યક્તિ ન હોય ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : અને આની લોકોને અજાયબી જ છે ને ! આ તો જો બસ્સો-ત્રણસો માણસોને લઈને અમેરિકા આવ્યો હોઉ અને ગમ્મત કરવી હોય, તો રેગનની ઑફિસમાં ઘાલી દઉં તો એ લોકોને એના પોલીસવાળા કાઢે પાછા. તે પાછું આવવાનું, પછી પાછા ફરી જવાનું. એ કાઢે ને આપણે જવાનું. જેને અપમાન નથી, માન નથી, જેને જેલમાં ઘાલો તોય વાંધો નથી, અને જેલમાં ઘાલવાની એના હાથમાં સત્તા છે ? તે વ્યવસ્થિતના તાબામાં છે. એટલે એ કંટાળે કે કઈ જાતની ક્વૉલિટી આ ? આમને શું કરવા ? હિંસક છે નહીં, આમને કશું જોઈતું નથી, છતાં ગુંડા છે નહીં, ને નફ્ફટ નથી પાછા ! પાછા આવે છે છતાં નફ્ફટ નથી. આ તો મૂંઝાઈ જ જાય ને ! આ કંઈ જુદી જાતનું ટોળું છે ! પંદરેક હજાર આજ્ઞામાં રહેતા હશે, તેમાં પાંચેક હજાર માણસ તો નિરંતર આજ્ઞામાં રહેનારા. કેવા ? નિરંતર, એક ક્ષણ ચૂક્યા સિવાય ! હવે એ આજ્ઞામાં રહેનારા માણસોને આ જોડે રહેવામાં કેવી મજા આવે ! અને નીકળશે દર સાલ, જાત્રા-બાત્રા બધી નીકળવાની. જ્ઞાનીનો પરિચય એ જ મુખ્ય હેતુ પ્રશ્નકર્તા : દાદા, આપની જોડે જાત્રા કરવાનું ખાસ મહત્ત્વ શું ? અને એ પણ દાદા જોડે ખાસ ? દાદાશ્રી : એ તો જોડે ને જોડે રહે. જોડે રહેવાનું મળે અને ઘરથી છૂટા હોય. એટલે પરિગ્રહ વગર એટલે સાધુપણું. અને પાછું દાદા જોડે રહે. એવો સાધુપણાનો લાભ મળે. ઘેરથી છૂટ્યા ને કોઈ ફાઈલ વાત કરનારી ના હોય ને આપણે જેમ પછી જાત્રામાં આમ બેસી રહેવું હોય તોય કોઈ પૂછે નહીં ને ? પ્રશ્નકર્તા : કોઈ પૂછે નહીં. દાદાશ્રી : અને ઘેર તો બેસી રહ્યા હોય તો પેલી છોડી કહેશે, ‘દાદા, દાદા, હેંડો.’ ના કહે, પેલી બેબી ? પ્રશ્નકર્તા : એટલે દાદા જોડે હોય તો જ ફેર પડે ને ? દાદાજી સાથે હોય તો જ જાત્રાનો ફાયદો ને ? દાદાશ્રી : તો જ મજા, તો જ એનો આનંદ આવે ને, જાત્રાનો ? પ્રશ્નકર્તા : તો આનંદ આવે. એકલા જવામાં તો કંઈ મજા નહીં ને ! દાદાશ્રી : કશો સ્વાદ નહીં. પ્રશ્નકર્તા : કશો સ્વાદ નહીં, પણ હવે જાત્રામાં પણ દાદાજીનો સંપર્ક બહુ રહેતો નથી, કારણ કે ઘણા માણસો સાથે હોય. તે ખાલી એમ છે કે દાદાજી સાથે છે. દાદાશ્રી : ના, એ તો બધું રહે, સંપર્ક રહે. પ્રશ્નકર્તા : રહે ? દાદાશ્રી : એકસોને પંદર માણસ લઈ ગયા’તા તોય સંપર્ક બધાની જોડે. પ્રશ્નકર્તા : એકસો પંદરને ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : પણ આ વખતે તો પાંચસોની વાત હતી ને ? દાદાશ્રી : હા, પાંચસોની વાત. (પા.૧૮) પ્રશ્નકર્તા : અને હવે તો બીજા વધારવાની વાત છે ને ? દાદાશ્રી : હા, બહુ થઈ ગયું. આપણી જોડે છે... પ્રશ્નકર્તા : દાદાજી છે, હા, હા. દાદાશ્રી : બસ, એટલે ભાંજગડ નહીં. પ્રશ્નકર્તા : અને અમે બધા બધી જગ્યાએ જાત્રા કરવા જઈએ ત્યાં તો હોય ને દાદાજી ? દાદાશ્રી : હા. મારી જોડે ફરે એટલે કોઈ ગુનો જ નહીં. અને એટલા માટે અમે લાભ આપતા હતા કે આપણી જોડે રહે મહિનો-દોઢ મહિનો, તો બહુ થઈ ગયું ! આ વાતાવરણ કહેવાય એનું, શું ? જે ટ્રાન્સપરન્ટ છે ત્યાં આગળ આપણું મન ઑલ રાઈટ થઈ જાય. ટ્રાન્સપરન્ટ થવાની જરૂર છે. જ્ઞાનીની હાજરીથી મળે આત્માને પુષ્ટિ જાત્રામાં ભલે જગ્યા તો એની એ જ હોય. જાત્રાનું મહત્વ તો અમારી જોડે ત્રીસેય દહાડા રહેવાનું મળે એ છે. આ પિત્તળનું સોનું કોઈ દિવસ થાય નહીં. આ તો જ્ઞાની પુરુષનું વાતાવરણ બહુ ઊંચું કહેવાય. આ તો બધાને માટે, બધાને હેલ્પ થાય. હું હોઉ તો જ એમને જાત્રા ગમે, નહીં તો ગમે જ નહીં ને ! નહીં તો જાત્રા જાય જ નહીં ને ! એટલે મારી હાજરી માગે છે લોકો, જ્યાં-ત્યાં. અને આ તો પબ્લિક ટ્રસ્ટ થયેલું છે, એટલે બધે કામનું જ છે ! હા, ને પછી વાંધો જ નહીં ને ! જ્યાં લઈ જાય ત્યાં ખરું. અને તે હાજરીથી ફાયદોય બહુ થાય ને ! પુષ્ટિ થઈ જાય ને ! એક મિનિટનું વાતાવરણ બહુ પુષ્ટિ આપે ! બોલવાની કંઈ જરૂર નથી, ખાલી આ વાતાવરણ જ હો. એટલે ઘણું પુષ્ટિ કરે. આમાં વધુ દર્શન કરવાનો હેતુ એ તો ખરું, પણ જોડે દાદા હોય ને, તો જ્ઞાની પુરુષનો રાત-દિવસનો પરિચય થાય એ હેતુ બધો. આ જાત્રાનો હેતુ શો ? મુખ્ય હેતુ એ. અને આખો દહાડો છે તે પેલા વિચારો-બિચારો કશું ના આવે ને સંસાર બંધ થઈ ગયો હોય ! એટલે તે ઘડીએ આત્માને પુષ્ટિ મળે, મહીં પુષ્ટિ મળે. એને આજુબાજુનું વાતાવરણ છૂટી ગયું ને ! આત્મા તો પૂર્ણ શક્તિવાન છે, અનંત શક્તિવાન છે પણ પેલું આવરણ જેમ તૂટતું જાય, તેમ એ પુષ્ટિ થતી જાય. પુષ્ટિ એટલે શું ? આવરણ તૂટી જવું, બધું ઉકેલ આવી જવો. અજંપાનો, અજ્ઞાનનો એ ઉકેલ આવી ગયો. હવે છે તે આવરણનો ઉકેલ આવવો જોઈએ. મહાવિદેહની જાત્રા પ્રશ્નકર્તા : દાદા, આ મહાવિદેહ ક્ષેત્ર છે, ત્યાં આ બધા મહાત્માઓને જાત્રાએ ના લઈ જાવ ? દાદાશ્રી : ક્યાં ? પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રે. દાદાશ્રી : એ તો જ્યારે તમારો સ્વભાવ બદલાશે ત્યારે એ ક્ષેત્ર ખેંચશે. એટલે એને લાયક થાવ. જેમ પાંચમા ધોરણને લાયક છોકરો ફોર્થમાં હોય તો એને પાંચમું ધોરણ જ ખેંચે છે. એવું આ ક્ષેત્રનો સ્વભાવ જ છે ખેંચી લેવાનો. એટલે તમારે કશું કરવાની જરૂર નથી. આ મારી આજ્ઞા પ્રમાણે ચાલો ને, તમારે માટે... પ્રશ્નકર્તા : આ બધા ક્ષેત્રો અહીં જ છે. (પા.૧૯) દાદાશ્રી : બધા ક્ષેત્રો અહીં જ છે, ખરું કહે છે. બધા ક્ષેત્રો અહીં જ છે એટલી જેને સમજણ પડી ને, તેનો ઉકેલ આવી જશે. દાદાના દર્શનમાં સમાય સર્વ તીર્થો પ્રશ્નકર્તા : દાદા, એવું કીધેલું કે આખા હિન્દુસ્તાનના બધા તીર્થો છે, એ તીર્થોની જે જાત્રા કરી હોય, એ જાત્રા કરતા પણ વધારે ફળ આપની પાસે બેસીને આપના દર્શન કર્યાથી થાય છે. અને આપની વાણી સાંભળવાથી... દાદાશ્રી : જેટલી સમજણ એટલો લાભ ઊઠાવે. અમારે તો એવું કશું છે નહીં કે લાભ આપવો છે કે લેવો છે. માછલાં તરફડે એમ તરફડી રહ્યું છે જગત આખુંય, સાધુ-સંન્યાસીઓ, બાવલો-બાવલી બધાય. જેમ માછલાં તરફડે ને, એમ તરફડી રહ્યું છે. એ મને દેખાય બધું. પણ શું કરું ? અમે તો ‘જે સુખ પામ્યા છીએ એ સુખ જગત પામો’ એવી અમારી ભાવના છે. બીજા બધા હતા તે વીતરાગ હતા, અમે ખટપટિયા વીતરાગ છીએ ! ખટપટ એટલી કે અમારા જેવું સુખ પામો. બધાને પમાડીને પછી જવું. જ્ઞાની જોડે ફર્યા તો પ્રૂફ થયા પ્રશ્નકર્તા : આ વચમાં હું જાત્રા કરવા ગયો, વીસ દિવસની અને એ પહેલા કંઈક વીસેક દિવસ વહેલો ગયો’તો બસ. દોઢ મહિનો હું છૂટો પડ્યો’તો દાદાજીથી. દાદાશ્રી : શાસ્ત્રકારો કહે છે કે છ મહિના જો જ્ઞાની જોડે ફર્યા હોય તો પ્રૂફ થઈ ગયા, છ જ મહિના ! તમે કેટલા વખત પાછળ ફરો છો ? પ્રશ્નકર્તા : બે-ચાર દિવસ, બે-ચાર દિવસ જઉ ને પાછો દાદા જોડે. એક સળંગ છ મહિના જોઈએ કે છૂટક છૂટક ચાલે ? દાદાશ્રી : આ મહીં હવે મહિનો-દોઢ મહિનો રજા લીધી હોય તેનો વાંધો નહીં. તમે જે (રજા) લીધીને એ હું કહું છું. પણ હમણે પંદર દહાડા, પંદર દહાડા બે વર્ષ પછી, એવું ના ચાલે. પ્રશ્નકર્તા : હા, એવું નહીં. દાદાશ્રી : એ બધું આટાલૂણ (અટામણ)માં જતું રહે. આટાલૂણ સમજ્યા ને તમે ? પ્રશ્નકર્તા : હા, બરાબર છે. આટાલૂણમાં જ જાય. દાદાશ્રી : બે દહાડા આવ્યા તેય જતા રહે... અને જતી વખતે બે વખત. પ્રશ્નકર્તા : એની રોટલીય ના બને, આટાલૂણમાં જાય. દાદાશ્રી : ભાખરા બને. રોટલી ના બને તો વેઢમી બને જ નહીંને ? પ્રશ્નકર્તા : હા, ન જ બને. વેઢમી તો ક્યાંથી બને ? જ્ઞાની પુરુષનું સાંનિધ્ય ત્રણસો કલાકનું પ્રશ્નકર્તા : આપના વાતાવરણમાં, સત્સંગમાં, સાંનિધ્યમાં અમે રહીએ, તો અમારો અહંકાર જલદી ખલાસ થઈ જાય એ ખરું ? દાદાશ્રી : અહંકાર ખલાસ કરવાનો નથી, અહંકાર તો ખલાસ થઈ ગયેલો જ છે. આ તમને હવે ડિસ્ચાર્જ અહંકાર રહે છે. હવે સત્સંગથી તમારી સમજણ વધી જાય, દર્શન ઊઘડી જાય, અન્વેઈલ્ડ (અનાવરણ) થઈ જાય. હંઅ, એને માટે અમારા સાંનિધ્યમાં આવવું જોઈએ. ત્રણસો કલાક, થ્રી હંડ્રેડ અવર્સ, તો ફૂલ (પૂર્ણ) થઈ જાય, ફૂલ મૂન ! (પા.૨૦) ‘જ્ઞાની પુરુષ’ પાસે સત્સંગ સાંભળવા આવીએ તો આપણી દ્રષ્ટિ ધીમે ધીમે બદલાય. અત્યારે તમે સાંભળો છો તે તમારી થોડી થોડી દ્રષ્ટિફેર થાય. એમ કરતાં કરતાં અમુક પરિચય થાય એકાદ મહિનો, બે મહિનાનો, એટલે દ્રષ્ટિ બદલાય. ‘જ્ઞાની’ની દ્રષ્ટિએ દ્રષ્ટિ મળી ગઈ કે થઈ રહ્યું! એના માટે ‘જ્ઞાની’ પાસે પરિચયમાં રહેવું પડે. જ્ઞાની પાસે બેસવાથી જ ફેરફાર પ્રશ્નકર્તા : આપની પાસે છ મહિના બેસે ત્યારે એનું સ્થૂળ પરિવર્તન થાય, પછી સૂક્ષ્મમાં ફેરફાર થાય, એવું કહો છો ? દાદાશ્રી : હા, ખાલી બેસવાથી જ ફેરફાર થયા કરે. પ્રશ્નકર્તા : સ્થૂળ પરિવર્તન એટલે શું ? દાદાશ્રી : સ્થૂળ પરિવર્તન એટલે બહારના ભાગની એને મુશ્કેલીઓ બધી ઊડી ગઈ, અંદરની રહી ફક્ત! પછી ફરી જો એટલો સત્સંગ થાય તો અંદરનીય મુશ્કેલીઓ ઊડી જાય. બેઉ ખલાસ થઈ ગયું, તો સંપૂર્ણ થઈ ગયો. એટલે આ પરિચય કરવો જોઈએ. બે કલાક, ત્રણ કલાક, પાંચ કલાક, જેટલા જમે કર્યા એટલો તો લાભ. લોકો જ્ઞાન મળ્યા પછી એમ સમજી જાય છે કે હવે આપણે કામ તો કંઈ રહ્યું જ નહીં. પણ હજી પરિવર્તન તો થયું જ નથી ! પ્રશ્નકર્તા : મહાત્માઓએ શું ગરજ રાખવી જોઈએ, પૂર્ણપદ માટે? દાદાશ્રી : જેટલું બને એટલું દાદાની પાસે જીવન કાઢવું એ જ ગરજ, બીજી કોઈ ગરજ નહીં. રાત-દહાડો, ગમે ત્યાં પણ દાદાની પાસે ને પાસે રહેવું. એમની વીસીનીટીમાં (દ્રષ્ટિ પડે એમ) રહેવું. મારી જોડે ફરે તો સ્પીડીલી મેળ પડે આ તો દાદાને મળવાનું એટલું જ કારણ છે કે સ્પીડી ઉકેલ આવે, જલદી. અને મારી જોડે છ મહિના ફરે તો ખલાસ થઈ ગયું ને! સ્પીડી એનો મેળ પડી જાય. સત્સંગથી બધા કર્મો ઢીલાં થઈ જાય. ઢીલાં થઈ જાય એટલે આજ્ઞા પાળવામાં સરળતા થાય. હજુ કેટલા કલાકોનો તમારો-મારો પરિચય છે, કહો? આ બધો મૂળ તો લોક પરિચય, એમાં રહીને મોક્ષમાર્ગને પામવા હારુ આખી જિંદગી કાઢતા હતા. પણ આ તો રોકડો મોક્ષ મળે છે, એના માટે ટાઈમ કાઢવાનો છે. પેલો મોક્ષમાર્ગ એમાં તો આગળ પાછો ભૂલોય પડે, છતાં તેને માટે આખી જીંદગીઓ કાઢતા હતા, તો આને માટે પરિચય ના જોઈએ ? જ્ઞાન મળ્યું એનો અર્થ એવો કે આપણે લોક પરિચયથી મુક્ત થઈ ગયા. છતાં આપણે એવી સ્ટ્રોંગ ભાવના જોઈએ કે જ્ઞાનીનો પરિચય મળવો જોઈએ. નિરંતર આવતા-જતા ગમે ત્યારે, જેટલો આ પરિચય એટલો લાભ. આ જે તમને મારી જોડે પરિચય થયો ને, એ જ ઘણો લાભ થઈ ગયો. આને અપૂર્વ લાભ કહેવાય છે, કોઈ કાળે સાંભળ્યો ના હોય એવો લાભ કહેવાય છે. જ્ઞાની પરિચયે તે રૂપ થઈએ પ્રશ્નકર્તા : આપની હાજરીમાં વિશેષ શાંતિ વર્તાય છે. દાદાશ્રી : એ તો આ હાજરીની તો વાત જ જુદી ને ! આ તો મારી હાજરી તમને દેખાય છે, પણ મને જેની હાજરી દેખાય છે તે હાજરી તમને હઉ વર્તે છે. ચૌદ લોકનો નાથ, આખા બ્રહ્માંડનો નાથ પ્રગટ થયો છે અંદર, એ મનેય લાભ મળે છે અને તમનેય લાભ મળે છે. આટલી નજીકતા (નિકટતા) જોઈએ, બસ. જેટલો નજીક એટલો લાભ અને (પા.૨૧) આજુબાજુ વાતાવરણ તો સારું રહે જ. એમાં પાછો વાતાવરણનો ફેર ! પણ નજીકનો લાભ મળવાનો અને તે સમજીને પાછું, સમજ્યા વગરનો લાભ નહીં. ‘જ્ઞાની પુરુષ’ પાસે નિરાકુળ આનંદ ઉત્પન્ન થાય. પુદ્ગલની કંઈ લેવાદેવા નથી, તો પછી આ સુખ ઉત્પન્ન ક્યાંથી થયું ? ત્યારે કહે કે એ સ્વાભાવિક સુખ, સહજ સુખ ઉત્પન્ન થયું, તે જ આત્માનું સુખ છે અને એટલું જેને ફિટ થઈ ગયું ને એ સહજસુખના સ્વપદમાં રહ્યો, તે પછી ધીમે ધીમે પરિપૂર્ણ થાય ! જેનો પરિચય કરીએ તે રૂપ આપણે થઈએ. આત્મહેતુ માટે સમ્મેત શિખર જાત્રા પ્રશ્નકર્તા : અમુક લોકો અમેરિકા ફરવા જાય તે પણ જાત્રા જ કહેવાય ને ? દાદાશ્રી : ના, એ જાત્રા નહીં; એ યાત્રા કહેવાય, ટ્રાવેલિંગ કહેવાય. જાત્રા તો એનું નામ કહેવાય કે આત્મહેતુ માટે અગર ભક્તિહેતુ માટે હોય ! હેતુ ભક્તિનો હોવો જોઈએ. ત્યાં લક્ષ્મી કમાવાનું ના હોય, કમાવવાનું ના હોય, એ જાત્રા કહેવાય. આપણે જે સમ્મેત શિખર જઈએ તે કંઈ કમાવવા માટે જઈએ છીએ ? એમાં જાત્રાનો હેતુ કહેવાય. જાત્રામાં તો આપણો છે તે સંઘેય નીકળ્યા કરે. એ તો આ સંઘપતિ કહેતા’તા કે આખી સ્પેશિઅલ ટ્રેન લઈ જઈએ. પ્રશ્નકર્તા : હા, એ કહેતા’તા, સમ્મેત શિખરની જાત્રા. દાદાશ્રી : સમ્મેત શિખરની જાત્રા. અને દિવાળી પછી લઈ જવા માટે મંડ્યા છે. દિવાળી પછી આપણી જન્મજયંતી ઉજવાઈ જાય ને, ત્યાર પછી એમની ભાવના છે. પ્રશ્નકર્તા : થશે, દાદા. દાદાશ્રી : એ તો અત્યારે ગોઠવ્યું હોય ને, તે વ્યવસ્થિતમાં હોય તો થાય, નહીં તો પછી ના થાય. તેનો કશો વાંધો નહીં, આપણે ગોઠવણી કરવી જોઈએ. દાદા આપે બોગીમાં દર્શન ત્રણ-ચાર વર્ષ ઉપર છે તે આપણે જાત્રાએ ગયા’તા. જાત્રા દુનિયામાં નવી જાતની ! પ્રશ્નકર્તા : હા, સમ્મેત શિખરની જાત્રાએ. દાદાશ્રી : દુનિયામાં આવું ટોળું હોય નહીં. એકસો પંદર આપણા મહાત્માઓ, તે બે-બે બોગી જાત્રાએ નીકળી. લગભગ મહિનો થયો બધે જાત્રાઓ કરતા કરતા, પણ તે એકસો પંદર આપણા મહાત્માઓ અને ત્યાં રોજ બોગીમાં જમવા-કરવાનું બધું હતું. ચા-પાણી ઠેઠ સુધી ચાલ્યા કરે. અને ત્યાં આગળ દાદા દર્શન આપ્યા કરે બે ટાઈમ નિરાંતે. એ...ય બોગીમાં ફર્યા કરે. અને ગાડી ઊપડે, તે બેસી રહેવાનું નહીં આમ ને આમ. જો કે બેઠક સરસ હતી બધાને. સરસ ઈઝિલી બેસવાનું હતું, પણ તે બેસી રહે તોય કંટાળી જાય માણસ ! એટલે એક સ્ટેશન મોટું આવે, તે સ્ટેશને વીસ-પચ્ચીસ મિનિટ ગાડી ઊભી રહે. એવું સ્ટેશન આવે એટલે બધા ઊતરી પડે. હું સેન્ટરમાં બેસું ને એ ગરબા ગાય ચોગરદમ, દરેક મોટાસ્ટેશને. સ્ટેશનવાળા તો કહે, ‘ક્યા હૈ યહ ?’ પ્રશ્નકર્તા : આખું સ્ટેશન ધમધમી જાય. દાદાશ્રી : જેને કોઈ પણ પ્રકારનું બંધન નથી, કશું છે નહીં. પ્રશ્નકર્તા : લોકો છેક સુધી દર્શન કરી જાય. દાદાશ્રી : હા. એ તો પછી આપણા લોકો તો બિલકુલ હસતા-રમતા. એ લોકોને કશો કંટાળો નહીં, કશું ચિંતા નહીં. (પા.૨૨) પ્રશ્નકર્તા : શેના ગરબા ગાવાના ? દાદાશ્રી : એ બધા જાતજાતના ગરબા હોય ને આપણે ત્યાં, તે બધા ગરબા ગાય, આમ પુરુષો-સ્ત્રીઓ બધાય. એ બધો આનંદ... કારણ કે પેલું ગાડીમાં પગ અકડાઈ જાય ને, એટલે સ્ટેશન આવ્યું મોટું, તે વીસ મિનિટનો ટાઈમ હોય તો ત્યાં આગળ ગરબા ગાઈને પંદર મિનિટમાં પાછા. જગતેય ફીદા થઈ જાય છે આ ગરબા જોઈને ! સ્ટેશને ગરબા કરતા પ્રકૃતિ સહજ આપણે ત્યાં આ ગરબામાં પેઠા છે, એ સહજ થયા છે અને પેલા અસહજ. એટલે આ અમે શા સારુ વચ્ચે બેસીએ, અમારે બેસવાનું કંઈ કારણ? તમને સહજ કરવા છે. જે તે રસ્તે સહજ થાવ. આ તે કંઈ જ્ઞાનીને શોભે એવી ક્રિયા છે આ બધી ? જ્ઞાની આવું થબાકા પાડતા હશે? એમની સહજતા આખો દહાડો જોવા મળે. કેવી સહજતા ! કેવી નિર્મળ સહજતા છે ! કેટલા નિર્મળ ભાવ છે ! અને અહંકાર વગરની દશા કેવી હોય, બુદ્ધિ વગરની દશા કેવી હોય, એ બધું જોવાનું મળે. આપણું વિજ્ઞાન કેવું છે કે સહજ કરો, જે તે રસ્તે સહજ થાવ. જ્ઞાની સંગે જાત્રા ગજબની પુણ્યૈ રાજા જે કરે છે તે જોવા જેવું હોય અને પ્રજા કરે તે નાચ કહેવાય. માટે તારે ભડકવાનું ના હોય લોકથી. રાજા લોકથી ના ભડકે પણ લોક રાજાથી ભડકે. અમે તમને શુદ્ધાત્માનું રાજા પદ આપ્યું છે, બ્રહ્મનિષ્ઠપદ આપ્યું છે. માટે તેમાં જ રહો ને ! અને ધોરીમાર્ગે તાલીઓ પાડીને પદ ગાતા જાઓ, લોકનો ભડકાટ રાખ્યા વગર. અગર તે આત્માર્થે કોઈ પણ વર્તન કરો, ભડકાટ વગર ખુલ્લા રસ્તે. નિશ્ચય તો આદર્શ સ્વભાવનો હોય છે જ. એટલે શું કરવાનું ? તો કહે, વ્યવહાર આદર્શ કરવાનો રહ્યો. માટે અમે જે જે કાંઈ કરીએ જાતજાતના વ્યવહાર પ્રસંગોમાં, તેને જો જો કરવાથી, અમે આદર્શ વ્યવહાર કેવી રીતે કરીએ છીએ તે જોતા જોતા તમને આદર્શ વ્યવહાર શીખવાનો મળે. માટે જ જાત્રાઓમાં સાથે ફરવાનું કે સત્સંગમાં પડી રહેવાનું ! આકર્ષણ છૂટે નહીં એટલા સારુ લોકો મારી પાસે શું કહે ? દાદા, એક ફેરો જાત્રા કરો. એટલે આખો દહાડો દર્શન થયા કરે. પણ જાત્રા કરવા જઈએ ને, ત્યારે બબ્બે ડબ્બા હોય. તે બેઉ ડબ્બામાં ફરી આવું જરા, થોડી થોડીવારે દર્શન આપી આવું. પણ હવે એવી જાત્રા ગોઠવીશું કોઈ વખત. પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : કોઈ વખત ગોઠવીશું. અમારે કશું જોવાનું બાકી ના હોય, પણ બધાને જાત્રા થાય, બધાને લાભ થાય એ હેતુ માટે અમારું આ બધું જીવન. અમારું જીવન જ એને માટે છે. અમારું પોતાના માટે જીવન નથી આ. બૈૈરી-છોકરાના ભાર તો બહુ વેંઢાર્યા છે અનંત અવતાર, પણ જ્ઞાની પુરુષનો ભાર વેંઢાર્યો નથી અને જો વેંઢાર્યો હોત તો મુક્તિ થઈ જાત. જ્ઞાની પુરુષની જોડે બહુ લાભ થાય. એક દહાડો જોડે રહેવાની શું વેલ્યુ હશે આની ? પ્રશ્નકર્તા : દાદા, કરોડો રૂપિયા. દાદાશ્રી : હં. આવું ક્યાંથી મળે ? કરોડ રૂપિયા આપે તોયે જ્ઞાની પુરુષની જોડે એક મહિનાની જાત્રા સમ્મેત શિખરજીની ક્યાંથી થાય ? એક કરોડ રૂપિયા આપે તોય જ્ઞાની પુરુષ ક્યાંથી હોય ? એય અજાયબી છે ને ! મહાત્માઓની પુણ્યૈ છે ને ! ~ જય સચ્ચિદાનંદ ખપે પ્રકૃતિ શાનાથી ? પ્રશ્નકર્તા : પછી આપે લખ્યું છે કે ‘કોઈ ત્યાગની પ્રકૃતિ હોય, કોઈ તપની પ્રકૃતિ હોય, કોઈ વિલાસી પ્રકૃતિ હોય. મોક્ષે જવા માટે માત્ર તમારી પ્રકૃતિ ખપાવવાની છે.’ તો પ્રકૃતિ ખપાવવી એટલે શું ? દાદાશ્રી : એ બરોબર છે. પ્રકૃતિ ખપાવવી એટલે આપણી પ્રકૃતિને સામાને અનુકૂળ કરીને, અનુકૂળ થઈને સમભાવે નિકાલ કરવો તે. પ્રશ્નકર્તા : આ વિલાસની પ્રકૃતિ ખપાવવી અને મોક્ષે કેવી રીતે જવાય? દાદાશ્રી : હા. એ તો ખપાવીને જવાય. આ બધો વિલાસ જ છે ને? તે જલેબી નહીં ખાતા ? પછી હાફુસની કેરીઓ નહીં ખાતા ? આ બધા નહીં ખાતા ? એ બધો વિલાસ જ છે ને ! આમાં કયો વિલાસ નથી તે ? આ બધાય જીવવિલાસ છે. કોઈ વિલાસ ચીકણો હોય ને કોઈ હોય તેનો મોળો હોય જરા. પ્રશ્નકર્તા : આદત અને પ્રકૃતિમાં ફેર શું છે ? દાદાશ્રી : આદત એ શરૂઆત છે. તમે આદત ના કરો તો તેવી પ્રકૃતિ રહે, આદત કરો તો પછી આદતવાળી પ્રકૃતિ થઇ જાય. પેલું તમે વારેઘડી ચા માંગ માંગ કરો તો ટેવઈ જાવ પછી, આદત પડી જાય. પહેલી આદત ‘તમે’ પાડતા હો અને પછી આદત પડી જાય. આદત પાડવી અને આદત પડી જાય એમાં ફેર ખરો ? હં ? આદત પાડતા હોય એ છૂટી જાય અને આદત પડી એ ના છૂટે. પ્રશ્નકર્તા : પ્રકૃતિ તો જન્મથી લઈને આવતો હોય એવું નથી થતું ? દાદાશ્રી : હા, જન્મથી જ લઈને આવ્યા છે અને જન્મથી જ છે આ. જન્મથી લઈને આવ્યા એટલે એવું નથી કે તે એ સ્થૂળમાં જન્મથી લઈને આવ્યા. જન્મથી એ તો પરમાણુરૂપે હોય, એને રૂપકમાં સેટઅપ અહીં થાય છે. પ્રશ્નકર્તા : વરસોથી જે પ્રકૃતિ સ્વભાવ પડ્યો હોય એ કેવી રીતે બદલાય ? દાદાશ્રી : આપણી પ્રકૃતિને આપણે જાણીએ કે આ પ્રકૃતિમાં આ ભૂલ છે એટલું જાણીએ એટલે બસ, એ બદલ્યો કહેવાય. ભૂલને ભૂલ જાણો તો બહુ થઈ ગયું. ભૂલને ભૂલ જાણવી એ જ મોટો પુરુષાર્થ છે. પ્રકૃતિ તો હોય, પ્રકૃતિ બદલાય નહીં, ભઈ ! એ પડી ગયેલી પ્રકૃતિ જાય નહીં. પ્રશ્નકર્તા : પ્રકૃતિને જોવાથી પ્રકૃતિના દોષો ઓછા થઈ જાય ? દાદાશ્રી : એના સિવાય બીજો કોઈ રસ્તો જ નથીને ! આપણી કાઢવાની ભાવના હોય તો ઓછાં થઈ જાય ને ના કાઢવાની ભાવના હોય તો રહે. પ્રશ્નકર્તા : પણ એ તો પ્રકૃતિમાં ઘણાં ગુણો સારા પણ છે અને ઘણાં અવળા પણ છે. દાદાશ્રી : બધા કાઢવા હોય તો બધા કાઢવાના, નહીં તો અમુક થોડા અવળા એકલા કાઢવાના, જે આપણને દુઃખદાયી હોય. જય સચ્ચિદાનંદ |