જ્ઞાનીકૃપાથી ‘શુદ્ધાત્મા’ના લક્ષની પ્રાપ્તિ

સંપાદકીય

અનંત કાળથી અનંત લક્ષ વીંધાયા, કિંતું ‘પોતે કોણ છે’ એ જ લક્ષ ના સધાયું. સાચો માર્ગ જ ‘હું કોણ છું’ની શોધનો છે. અનાદિથી વિનાશી વસ્તુઓ તરફ વળેલી દ્રષ્ટિને ‘જ્ઞાની પુરુષ’ નિજના અવિનાશી સ્વરૂપ તરફ વાળી આપે, જે ફરી ક્યારેય ત્યાંથી વિખૂટી ના પડે. જ્ઞાનીની દિવ્યાતિદિવ્ય દેણ છે કે તેઓ દિવ્ય દ્રષ્ટિ આપે છે કે જે પોતાના ને સામાના આત્મસ્વરૂપને જ ભાળે છે.

આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી હવે મહાત્માઓ જ્ઞાન અને જ્ઞાનીના પરિચયમાં વધારેમાં વધારે રહે તેને આત્માનું લક્ષ રહે, છતાં સંજોગોના દબાણ હેઠળ ક્યારેક તન્મયાકાર થઈ જાય ત્યારે એમ લાગે કે જ્ઞાન બધું જતું રહ્યું પણ એમ બનતું નથી. ત્યારે આત્માનું લક્ષ ખસી જાય છે, પણ પ્રતીતિનો તાર તો નિરંતર જોઈન્ટ હોય જ છે. એટલે તરત જ સ્વયં એની મેળે ‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષ પાછું આવી જાય છે. આને ક્ષાયક સમકિત કહ્યું. એટલે અક્રમ જ્ઞાન મળ્યા પછી મહાત્માઓ અનુભવ, લક્ષ અને પ્રતીતિ - આ ત્રણ પગથિયામાં જ રમ્યા કરે, ચોથામાં જાય જ નહીં, એનું નામ ક્ષાયક સમકિત, એ જ પરમાર્થ સમકિત.

‘વર્તે નિજ સ્વભાવનું, અનુભવ-લક્ષ-પ્રતીત, વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.’ અજ્ઞાન દશામાં વૃત્તિઓ બહાર ભટકતી હતી, તે નિજ સ્વભાવના અનુભવ-લક્ષ-પ્રતીતિ વર્ત્યા પછી તરત જ પાછી એની મેળે અંદર વળી જાય છે. હવે નવું કશું કરવાનું નથી. મૂળ આત્માની જે પ્રતીતિ બેસી ગઈ છે, તેને પૂર્ણ કરવાની છે. તેને માટે દાદાએ આપેલી પાંચ આજ્ઞાઓ પાળીને શુદ્ધાત્માના લક્ષથી આગળ અનુભવની શ્રેણીઓ ચઢવાની છે.

આત્માનુભવ થાય ત્યાર પછી મહીં ચેતવનારો જાગૃત થઈ જાય છે. તે ક્ષણે ક્ષણે પોતાની ભૂલ દેખાડે અને પ્રતિક્રમણ કરાવડાવે. હવે અનુભવજ્ઞાન ક્યારે પ્રગટ થાય ? પાછલા કડવા-મીઠા સંજોગોના ફળ આવે, તેમાં બીજા નિર્દોષ દેખાય અને ક્ષણે ક્ષણે પોતાની ભૂલો દેખાય. આત્માનુભવની કક્ષાના લક્ષણો શું ? સંસારની કોઈ પણ બાબત આપણને અસર જ ના કરે ત્યારે પૂર્ણાહુતિ એટલે કે દરેક સંજોગોમાં સમતા રહે, વીતરાગતા રહે, તેમ તેમ આત્માનુભવ પ્રગટ થાય. પછી વર્તનમાં આવે ત્યારે સંપૂર્ણ શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થાય.

આત્માની અનુભવ દશા પ્રાપ્ત કરવા માટે પાંચ આજ્ઞાની સાથે સાથે વિધિ-વાંચન-સામાયિક અને સત્સંગનું પણ એટલું જ મહાત્મય છે કે જેના આધારે મહાત્માઓની જાગૃતિ વધે. હવે આજ્ઞારૂપી પુરુષાર્થ આદરી આ ભવે શુદ્ધાત્માનુભવની શ્રેણીઓ મંડાય એ જ હૃદયપૂર્વક અભ્યર્થના.

~ જય સચ્ચિદાનંદ.

જ્ઞાનીકૃપાથી ‘શુદ્ધાત્મા’ના લક્ષની પ્રાપ્તિ

(પા.૪)

વર્લ્ડ પઝલનું એકમેવ સોલ્યુશન

જીવનનું લક્ષ શું છે ?

‘હું પોતે કોણ છું’ એ શોધવાનું જ લક્ષ હોવું જોઈએ, બીજું કોઈ લક્ષ જ ના હોવું જોઈએ.

‘હું કોણ છું’ની શોધખોળ કરતાં હોય તો તે સાચો રસ્તો છે અથવા તો જે લોકો એની શોધખોળમાં પડ્યા હોય અને બીજાને ‘એ’ જ ખોળવાનું શીખવાડતા હોય તો એ વિચારો લાઈન પર કહેવાય. બાકી, બીજું બધું તો જાણેલું જ છે ને ? અને જાણીને પાછું છોડવાનું જ છે ને ? કેટલાય અવતારથી જાણ જાણ કર્યું છે, પણ જે જાણવાનું છે તે નથી જાણ્યું.

‘પોતે આત્મા છે’ એવી પ્રતીતિ પોતાને થાય અને ‘હું ચંદુલાલ છું’ એ વાત ખોટી નીકળી એવો અનુભવ થાય, ત્યારે જાણવું કે અજ્ઞાન ગયું.

પ્રશ્નકર્તા : આત્માનુભવ થયો ક્યારે કહેવાય ?

દાદાશ્રી : જ્ઞાનીઓએ આત્માનો અનુભવ કોને કહ્યો ? ગઈ કાલ સુધી જે દેખાતું હતું તે ઊડ્યું ને નવી જ જાતનું દેખાયું. અનંત અવતારથી ભટકતા હતા ને જે ‘રિલેટિવ’ દેખાતું હતું તે ગયું અને નવી જાતનું ‘રિયલ’ દેખાવાનું શરૂ થયું, એ આત્માનો અનુભવ ! દ્રશ્યને અદ્રશ્ય કર્યું ને અદ્રશ્ય હતું તે દ્રશ્ય થયું !

ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ. ધેર આર ટુ વ્યુપોઈન્ટસ્ ટુ સોલ્વ ધીસ પઝલ. વન રીલેટિવ વ્યુપોઈન્ટ એન્ડ વન રીયલ વ્યુપોઈન્ટ. બાય રીલેટિવ વ્યુપોઈન્ટ યુ આર ચંદુલાલ એન્ડ બાય રીયલ વ્યુપોઈન્ટ તમે ‘શુદ્ધાત્મા’ છો. (જગત સ્વયં કોયડો છે. બે દ્રષ્ટિબિંદુથી આ કોયડો ઉકેલી શકે છે. એક રિલેટિવ વ્યુપોઈન્ટ અને એક રિયલ વ્યુપોઈન્ટ.રિલેટિવ દ્રષ્ટિબિંદુથી તમે ચંદુલાલ અને રિયલ દ્રષ્ટિબિંદુથી તમે શુદ્ધાત્મા છો.) આ બે વ્યુપોઈન્ટથી જગતને જોશો તો બધા જ પઝલ સોલ્વ થઈ (કોયડા ઉકલી) જશે. આ જ દિવ્યચક્ષુ છે.

અહંકાર આંધળો ને વળી ચશ્મા

પ્રશ્નકર્તા : રિલેટિવ વ્યુ પોઈન્ટથી ‘આઈ’ ચંદુભાઈ છે અને રિયલ વ્યુ પોઈન્ટથી ‘આઈ’ શુદ્ધાત્મા છે, તો એ ‘આઈ’ એક જ છે? એ બેઉમાં ‘આઈ’ છે ?

દાદાશ્રી : ‘હું’ શુદ્ધાત્મા તો છું જ. પછી ‘એને’ ભ્રાંતિ ઉત્પન્ન થઈ કે આ ગાડી ચાલે છે કે હું ચાલું છું ? એટલે એને એમ લાગ્યું કે હું ચાલું છું. એટલે પછી હુંનો થયો અહંકાર કે ‘હું ચંદુભાઈ, હું મગનભાઈ.’ પછી પાછો અહંકારને આંધળો બનાવ્યો. તે ચશ્મા પહેરાવડાવે છે, પાસ્ટ (પૂર્વ) કર્મના હિસાબે. એટલે પાછું આંધળું બધું જુએ છે ને ‘મારી વાઈફે જ દગો દીધો છે’, કહે. આવું દેખાડે છે.

પ્રશ્નકર્તા : ચશ્માને લીધે એવું દેખાય છે ?

દાદાશ્રી : હં. ખરેખર એવું હોતું નથી પણ એને ચશ્માને લીધે એવું દેખાય છે.

પ્રશ્નકર્તા : ‘પેલો આ કરે છે, આણે જ કર્યું’ એ બધું ચશ્માને લીધે દેખાય છે ?

દાદાશ્રી: ચશ્માને લીધે દેખાય છે. એવું પેલામાં ચશ્મા હોય છે તેથી બધાને ખરાબ છે ને સારું છે ને ફલાણું છે,એવું દેખાય છે.

‘હું’ મૂળ જગ્યાએ લાવવાનું

આ ‘હું ચંદુલાલ છું’ એ અહંકાર છે. કારણ

(પા.૫)

કે જ્યાં ‘હું’ નથી, ત્યાં ‘હું’નો આરોપ કર્યાે, એનું નામ અહંકાર.

પ્રશ્નકર્તા : ‘હું ચંદુલાલ છું’ કહે, એમાં અહંકાર ક્યાં ? ‘હું આમ છું, હું તેમ છું’ એમ કરે એ જુદી ચીજ છે પણ સહજભાવે બોલે, તેમાં ક્યાં અહંકાર ?

દાદાશ્રી : સહજ ભાવે બોલે તોય અહંકાર કંઈ જતો રહે છે? ‘મારું નામ ચંદુલાલ છે’ એ સહજ ભાવે બોલે તોય એ અહંકાર જ છે. કારણ કે તમે જે છો એ જાણતા નથી અને તમે નથી તે આરોપ કરો છો, એ બધો અહંકાર જ છે ને !

‘તમે ચંદુલાલ છો’ એ ડ્રામેટિક (નાટકીય) વસ્તુ છે. એટલે ‘હું ચંદુલાલ છું’ એ બોલવામાં વાંધો નથી, પણ ‘હું ચંદુલાલ છું’ એ બિલિફ ના બેસવી જોઈએ.

પ્રશ્નકર્તા : હા, નહીં તો ‘હું’ પદ આવી ગયું.

દાદાશ્રી : ‘હું’ ‘હું’ની જગ્યાએ બેસે તો અહંકાર નથી. ‘હું’ મૂળ જગ્યાએ નથી, આરોપિત જગ્યાએ છે, માટે અહંકાર. આરોપિત જગ્યાએથી ‘હું’ ઊડી જાય અને મૂળ જગ્યાએ બેસી જાય તો અહંકાર ગયો. એટલે ‘હું’ કાઢવાનું નથી, ‘હું’ એને એક્ઝેક્ટ પ્લેસ (યથાર્થ સ્થાન)માં મૂકવાનું છે.

‘હું’ને લક્ષ બેઠું શુદ્ધાત્માનું

પ્રશ્નકર્તા : એ ‘હું’ વિશે વધારે કહો ને !

દાદાશ્રી : ‘હું’ તો એવરીવ્હેર એડજસ્ટેબલ, કે ‘હું’ તો જમાઈ થઉં, તો તે જમાઈએય થાય. સસરો થઉં તો એય થાય અને ‘હું’ શુદ્ધાત્મા છું એટલે શુદ્ધાત્માય થાય અને ‘હું’ પુદ્ગલ છું તો પુદ્ગલેય થાય.

‘હું’ તો એવરીવ્હેર એડજસ્ટેબલ, એવી કેવી સરસ વસ્તુ છે ! જોને, ‘હું’ હમણે ચંદુભાઈ હતો, બે કલાક પછી ‘હું’ શુદ્ધાત્મા થઈ ગયો. એનો એ જ ‘હું.’ હજુ નવડાવ્યું-ધોવડાવ્યું કશું નહીં, એવું ને એવું જ. જો એ ‘હું’ અપવિત્રેય થતો નથી ને ! કસાઈ થયેલો ‘હું’, (જ્ઞાન પછી) શુદ્ધાત્મા થઈ જાય. પહેલાં કસાઈ હોય, તે એને પૂછે કે તું કોણ છો ? તો એમ કહે, ‘હું કસાઈ છું.’ એ જ્ઞાન પછી શુદ્ધાત્મા થઈ જાય. કશું ધોવડાવવું-નવડાવવું નથી પડતું અને આ લોકો તો નહાય નહાય કરે છે રોજ, તોય કોઈ દા’ડો સુધર્યા નહીં. એ ‘હું’ ઉપર વિચાર કરવા જેવો છે ! કેવું છે એ, એવરીવ્હેર એડજસ્ટેબલ !

પ્રશ્નકર્તા : એટલે તમે જ્ઞાન આપો ત્યારે આરોપણ છોડાવડાવો છો ?

દાદાશ્રી : તો જ છૂટે, નહીં તો છૂટે નહીં ને ! પછી આપણે કહીએ, ‘અરે, તમે શુદ્ધાત્મા છો કે ચંદુભાઈ ?’ ત્યારે કહે, ‘ના, હું શુદ્ધાત્મા છું.’ તે ઘડીએ વળગી રહે કે ‘ના, હું ચંદુભાઈ છું’, તો આપણે જાણીએ કે આરોપણ છૂટ્યું નથી. પણ તે ઘડીએ બધાય કહે છે કે ‘હું શુદ્ધાત્મા છું’, નહીં ?’

પ્રશ્નકર્તા : હા. એટલે દાદા, અનંત અવતારનું આરોપણ એક કલાકમાં છૂટીને પાછું હતું તે મૂળ જગ્યાએ આવી જાય છે, તો એ ‘હું’ પણ કેટલો ફ્લેક્સિબલ (વાળી શકાય એવો) છે ને ?

દાદાશ્રી : ‘હું’ તો એવરીવ્હેર એડજસ્ટેબલ છે.

પ્રશ્નકર્તા : પણ એક વખત ‘હું શુદ્ધાત્મા છું’, એમાં જો એડજસ્ટ થઈ ગયો, પછી નથી ખસતો એ. પછી એમાં સ્થિર થઈ જાય છે.

દાદાશ્રી : થઈ જ જાય ને પછી.

પ્રશ્નકર્તા : એ શાથી ?

દાદાશ્રી : મૂળ જગ્યાએ બેઠું એટલે થઈ જ જાય ને ! લોકોનેય મૂળ જગ્યાએ બેસાડવું છે, પણ બેસતું નથી ને ! શી રીતે બેસે ? એ તો બધા

(પા.૬)

પાપો ભસ્મીભૂત થાય એટલે હલકાફૂલ થઈ જવાય. પાપો ભસ્મીભૂત થાય ત્યારે ‘હું’ મૂળ જગ્યાએ બેસે. એ તો ‘એને’ પછી ઠંડક વળે ને ! એટલે પછી કહે, ‘ના, અહીં જ રહીશું.’ હવે છૂટે નહીં.

પ્રશ્નકર્તા : દાદા, એ ‘હું’પણું છૂટું થઈ જાય છે, જ્ઞાન આપો છો ત્યારે, પણ જે ‘હું’પણું છે, એ જાગૃતિ જેટલી વધારે, એ પ્રમાણે રહે કે જાગૃતિ ઓછી હોય એ પ્રમાણે રહે ? એમાં જાગૃતિ કામ કરે ખરી?

દાદાશ્રી : જાગૃતિ જ છે ને ! (ભાવ)નિદ્રાથી ‘હું’પણું અવળી જગ્યાએ વપરાય અને જાગૃતિ થાય ત્યારે સવળી જગ્યાએ વપરાય, જાગૃતિથી.

અહંકારની શૂન્યતા માટે ‘જ્ઞાની પુરુષ’ શુદ્ધાત્માનું લક્ષ બેસાડે.

‘હું શુદ્ધાત્મા છું’ એ શું ?

પ્રશ્નકર્તા : એટલે આ અહંકાર જ બોલે છે ને ? જે અવળો ચાલ્યો હતો તે જ હવે ‘હું શુદ્ધાત્મા છું’ એમ બોલે છે ?

દાદાશ્રી : ‘હું’, ‘હું’ (જાગૃત આત્મા) બોલે છે, અહંકાર નથી બોલતો. અહંકાર તો જુદો રહે. અહંકાર ના બોલે. ‘હું’, ‘હું’ પોતાનું સ્વરૂપ જ. હવે (મૂળ) સ્વરૂપ જાતે બોલે નહીં, પણ આ ક્રિયા એના તરફની ફરેલી છે. ‘શુદ્ધાત્મા’ આપણે બોલીએ છીએ તે શુદ્ધાત્માય પોતે શબ્દ નથી, આ ક્રિયા એ તરફ ફરી છે હવે. ‘તમારી’ શ્રદ્ધા ફરી, બિલીફ ફરી, તેમ તેમ આવરણ તૂટતું જાય. આવરણ તોડનારી વસ્તુ છે આ. પણ ‘હું’નું અસ્તિત્વ, ‘હું શુદ્ધાત્મા છું’ એ જ ભાન છે. ભાનમાં ફેરફાર થયો. અહંકાર હોય તો કામમાં જ ના લાગે ને! એ વસ્તુ જ જુદી છે. અહંકારને લેવાદેવા નથી. અહંકાર ઓગળ્યા પછી તો પોતાનું સ્વરૂપ, ‘એ’ (ભાન) થાય. આ વચગાળાનું બધું કહેવાય છે.

પ્રશ્નકર્તા : પોતે શુદ્ધાત્માની શ્રદ્ધામાં આવ્યો ને ‘હું શુદ્ધાત્મા છું’ એવું ભાન થયું એટલે આખો અહમ્, જે વિશેષભાવ કરતો હતો એ જ ઊડી ગયો ને ?

દાદાશ્રી : હા, ‘હું શુદ્ધાત્મા છું’ એવું ભાન થયું, એનું નામ જ વિશેષભાવ ખલાસ થઈ ગયો.

પ્રશ્નકર્તા : તો ‘હું શુદ્ધાત્મા છું’ એ શું ?

દાદાશ્રી : પોતાના અસ્તિત્વનું ભાન છે જ પણ ‘હું કોણ છું’ એ ભાન થઈ ગયું, એ પોતાનું વસ્તુત્વ કહેવાય. ‘હું શુદ્ધાત્મા છું’ એ વસ્તુને જાણી કે ‘પોતે કોણ’ અને પછી પૂર્ણત્વ થાય એટલે ‘હું’યે ઊડી જાય પછી.

‘હું શુદ્ધાત્મા’ બોલતા, નિર્જરે અંતઃકરણ

પ્રશ્નકર્તા : ‘હું શુદ્ધાત્મા છું અને દેહ નથી’ એ પણ બુદ્ધિ કહે છે ને?

દાદાશ્રી : એ બુદ્ધિ નથી કહેતી આમાં. બુદ્ધિ ‘હું શુદ્ધાત્મા’ કહેવા જ ના દે. બુદ્ધિ ‘હું શુદ્ધાત્મા છું’ કહેવા દે તો એનો પોતાનો નાશ થાય, પોતાનું અસ્તિત્વ ઊડી જાય. એટલે એ પોતે આ પક્ષમાં બેસે જ નહીં કોઈ દહાડોય. મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકારનું સંપૂર્ણ અસ્તિત્વ ઊડી જાય, જો ‘શુદ્ધાત્મા છું’ બોલે તો. એટલે કોઈ એક્સેપ્ટ (સ્વીકાર) ના કરે. બધા સમજે ખરાં પણ જ્યારે ડિસ્ચાર્જનો ફોર્સ આવે ત્યારે એ એક્સેપ્ટ ના કરે. આ બુદ્ધિ તો હંમેશા સંસાર પક્ષમાં જ હોય છે, શુદ્ધાત્મા પક્ષમાં હોય નહીં ક્યારેય, પણ એ વિરોધ પક્ષમાં હોય.

પ્રશ્નકર્તા : પ્રતિષ્ઠિત આત્મા બોલે છે કે ‘હું શુદ્ધાત્મા છું’ ?

દાદાશ્રી : એ બોલે નહીં. આત્મામાંથી પ્રજ્ઞા છૂટી પડી, તે એ બોલે છે કે ‘હું શુદ્ધાત્મા છું’ અને પ્રતિષ્ઠિત આત્માને એ જુએ છે કે આ ભમરડો શું કરી રહ્યો છે ! શુદ્ધાત્મા થઈને જુએ છે એ.

(પા.૭)

પ્રશ્નકર્તા : પ્રજ્ઞા જુએ છે ?

દાદાશ્રી : પ્રજ્ઞા જ બધું અત્યારે કામ કરી લેવાની. જ્યાં સુધી મોક્ષે ના જઈએ, જ્યાં સુધી આ સામાન છે ત્યાં સુધી પ્રજ્ઞા. આ સામાન બંધ થયો કે પ્રજ્ઞા મહીં શુદ્ધાત્મામાં ભેગી જ થઈ જાય.

પ્રશ્નકર્તા : ‘હું શુદ્ધાત્મા છું’ એવું બોલે છે, તેય પ્રજ્ઞા જુએ છે ?

દાદાશ્રી : બોલે છે ટેપરેકર્ડ, પણ ભાવ પ્રજ્ઞાનો છે.

પ્રશ્નકર્તા : તો એ સહજ ક્રિયા થઈ પ્રજ્ઞાની ?

દાદાશ્રી : પ્રજ્ઞાની બધી ક્રિયાઓ સહજ જ હોય, સ્વભાવિક જ હોય.

સૂક્ષ્મતમ અહંકારને થયો શુદ્ધાત્માનુભવ

પ્રશ્નકર્તા : અાત્માનુભવ કોને થાય છે ? (શુદ્ધાત્માનો) અનુભવ કરનાર કોણ ?

દાદાશ્રી : ‘પોતાને’ જ થાય છે. આ અજ્ઞાનથી જે ભ્રાંતિ ઊભી થઈ હતી, તે જતી રહે છે ને અસ્તિત્વપણું પાછું ઠેકાણે આવી જાય છે. ‘હું ચંદુભાઈ છું’ એ ભાન ‘જેને’ હતું, તેને હું એ ભાન છોડાવું છું ને ‘હું શુદ્ધાત્મા છું’નું તેને જ ભાન થાય છે. જે સૂક્ષ્મતમ અહંકાર છે કે જેનો ફોટો ના પડી શકે, જે આકાશ જેવો છે, તેને અનુભવ થાય છે. ‘હું ચંદુભાઈ છું’ એ સ્થૂળ અહંકાર છૂટ્યો પછી સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને છેલ્લે સૂક્ષ્મતમ અહંકાર હોય છે. સૂક્ષ્મતમ અહંકારને અનુભવ થાય છે કે ‘હું શુદ્ધાત્મા છું.’ જે આજ સુધી અવળો ચાલ્યો હતો તે પાછો ફર્યો. ‘આ’ જ્ઞાન પછી તમારે હવે સ્થૂળ અહંકાર રહે, કે જે નિર્જીવ છે. સજીવ ભાગ ખેંચાઈ ગયો. સ્થૂળ અહંકારનો ફોટો પડે. પછી રહે છે સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ અહંકાર, કે જેને અનુભવ થાય છે. આ કોના જેવી વાત છે ? વાતચીત કરતાં ‘ડોઝિંગ’ થાય (ઘેન ચઢે) અને પાછો વાતચીત કરે. આમાં કોને ‘ડોઝિંગ થયું ને કોણે જાણ્યું’ એના જેવું છે !

પ્રશ્નકર્તા : અનુભવ પામનાર ને અનુભવ જોનાર એ બે જુદા કે એક ?

દાદાશ્રી : બેઉ એકના એક જ. દેખ્યો તે એક ને પામ્યો તે એક, બેઉ એકના એક. અહંકારને જો અનુભવ ના થાત તો એ કહેત કે ‘મને અનુભવ ના થયો’ ને અનુભવ થાય એટલે પ્રજ્ઞાને સત્તા સોંપી દે કે આ તમારી ગાદી ! અનુભવ પામ્યો ને અનુભવ જોયો, તે બેઉ એકના એક !

શુદ્ધાત્માની દ્રષ્ટિથી ઓગળે અહંકાર

પ્રશ્નકર્તા : જ્ઞાન થાય છે એટલે અહંકાર જાય છે ને ?

દાદાશ્રી : પહેલું જ્ઞાન નથી થતું, પહેલો અહંકાર જાય છે. પછી જ્ઞાન થાય છે. અહંકાર જાય છે શેનાથી ? વિરાટ સ્વરૂપના પ્રતાપથી અહંકાર જાય છે.

આ આત્મજ્ઞાન મળ્યા પછી ‘પોતે’ હવે સમ્યક્ દ્રષ્ટિવાળો થયો. પહેલાં ‘પોતે’ મિથ્યાદ્રષ્ટિવાળો હતો. જ્ઞાની આ રોંગ બિલીફો (મિથ્યા દ્રષ્ટિ) ફ્રેક્ચર કરી (તોડી) નાખે, ત્યારે રાઈટ બિલીફ બેસે. રાઈટ બિલીફ એટલે સમ્યક્ દર્શન. એટલે પછી ‘હું ચંદુભાઈ ન હોય, હું શુદ્ધાત્મા છું’, એવી બિલીફ બેસી જાય.

બંને અહંકારની જ દ્રષ્ટિ છે. પેલી રિલેટિવ દ્રષ્ટિ એ દ્રશ્યને જોતી હતી, ભૌતિક વસ્તુને અને આ રિયલ દ્રષ્ટિ ચેતન વસ્તુને જુએ. ચેતન છે તે દ્રષ્ટા છે અને પેલું બીજું બધું દ્રશ્ય છે. ચેતનના દ્રષ્ટા અને જ્ઞાતા બન્ને ગુણ છે.

પ્રશ્નકર્તા : દ્રષ્ટિ એ દ્રષ્ટાનું કાર્ય છે ને ?

દાદાશ્રી : ના.

(પા.૮)

પ્રશ્નકર્તા : તો દ્રષ્ટિ શું છે ?

દાદાશ્રી : દ્રષ્ટિ તો અહંકારને છે, આત્માને દ્રષ્ટિ ના હોય. આત્માને તો સહજ સ્વભાવે મહીં દેખાયા કરે, મહીં અંદર ઝળકે ! પોતાની અંદર જ બધું ઝળકે !

પ્રશ્નકર્તા : તો પછી આ આત્માને જાણનાર કોણ છે ? આત્મજ્ઞાન થાય છે તે કોને થાય છે ?

દાદાશ્રી : એ અહંકારને દ્રષ્ટિ થાય છે. પેલી મિથ્યાદ્રષ્ટિ હતી, તેના કરતાં ‘આમાં’ વધારે સુખ પડ્યું. એટલે પછી એ અહંકાર ધીમે ધીમે આમાં ઓગળતો જાય છે. અહંકાર શુદ્ધ થયો કે એ શુદ્ધાત્મા જોડે ઓગળી જાય છે, બસ ! જેમ સાકરની પૂતળી હોય ને તેલમાં નાખીએ તો ઓગળે નહીં, પણ પાણીમાં નાખીએ તો ઓગળી જાય, એવી રીતે છે. એટલે શુદ્ધાત્માની દ્રષ્ટિ થઈ કે બધું ઓગળવા માંડે, ત્યાં સુધી અહંકાર છે.

દ્રષ્ટિ મૂળ જગ્યાએ ફીટ થઈ

‘જ્ઞાની પુરુષ’ એટલું જ કરે કે જે દ્રષ્ટિ જ્યાં ને ત્યાં બહાર પડી રહી હતી, તે દ્રષ્ટિને દ્રષ્ટામાં નાખી આપે. એટલે દ્રષ્ટિ મૂળ જગ્યાએ ‘ફીટ’ થઈ કહેવાય, ત્યારે જ મુક્તિ થાય. અને જે અમુક હદના જ દ્રશ્યોને જોઈ શકતો હતો, તે બધા જ દ્રશ્યોને ‘ફૂલ’ જોઈ, જાણી શકે. ‘જ્ઞાની પુરુષ’ દ્રષ્ટિને દ્રષ્ટામાં નાખી આપે એટલે ‘પોતાને’ ખાતરી થાય કે ‘હું શુદ્ધાત્મા છું.’ દ્રષ્ટિ પણ એમ બોલે કે ‘હું શુદ્ધાત્મા છું.’ બન્નેને હવે જુદાઈ ના રહી, ઐક્યભાવ થઈ ગયો. પહેલાં દ્રષ્ટિ શુદ્ધાત્માને, પોતાના સ્વરૂપને ખોળતી હતી, પણ જડતું નહોતું. હવે એ દ્રષ્ટિ સ્વભાવ સન્મુખ થઈ એટલે નિરાકુળતા ઉત્પન્ન થાય. નહીં તો ત્યાં સુધી આકુળ-વ્યાકુળ રહ્યા કરે.

આ અમે ‘તમારી’ ‘દ્રષ્ટિ’ જ ફેરવી આપી. ‘હું ચંદુભાઈ છું’ અને ‘હું આનો ધણી છું’ એ બધી ‘દ્રષ્ટિ’ ઊડી ગઈ અને ‘હું શુદ્ધાત્મા છું’ એ જ દર્શન આપ્યું. એ દ્રષ્ટિ બદલાઈ ગઈ. પેલી દ્રષ્ટિ બગડી’તી એટલે જ્ઞાન અવળું થયું’તું. આ ‘દ્રષ્ટિ’ બદલાય એટલે પછી જ્ઞાન બદલાય એટલે ચારિત્ર્ય બદલાય.

એ જ્ઞાન આપીએ તે બીજે દહાડે ‘આ મારું નહીં.’ ક્રોધ-માન-માયા-લોભ આ, તે તો ચંદુભાઈના! કાર્યકારી નહીં, એ નિર્જીવતાવાળા, અહંકાર-બહંકાર બધું નિર્જીવ !

એટલે ‘એ’ કહે છે કે ‘આ મારું નહીં, આ મારું નહીં, હું શુદ્ધાત્મા.’ ‘હું શુદ્ધાત્મા’ એવું કહે છે ને ! પહેલા કહેતો હતો, ‘હું જ ચંદુભાઈ’, એ નથી હવે. ત્યારે કહે, ‘ચંદુભાઈ નહીં ?’ એ ચંદુભાઈ ખરું, પણ વ્યવહારથી કહેવાય. વ્યવહાર પૂરતું જ, ખરી રીતે ‘હું’ ચંદુભાઈ નહીં ! આખી ‘દ્રષ્ટિ’ બદલાઈ ગઈ છે.

શુદ્ધાત્માની પ્રતીતિ

અહીં જ્ઞાન આપ્યા પછી બીજે દહાડેથી આત્માની પ્રતીતિ બેસે છે આપણને.

પ્રશ્નકર્તા : પ્રતીતિ એટલે શું ?

દાદાશ્રી : કોઈ કહે કે ‘આ મારી સ્ત્રી છે.’ ત્યારે આ કહે, ‘ના, હજુ સમજણ નથી પડતી.’ ત્યારે એ કહે, ‘મારી ધણીયાણી છે.’ એના શબ્દો તો હોય જ. એને સ્ત્રી ના સમજણ પડી તો ધણીયાણી કહે, તો સમજણ પડે ને? તો પ્રતીતિ એટલે દર્શન.

પ્રશ્નકર્તા : ‘હું શુદ્ધાત્મા છું’ એવું શ્રદ્ધામાં રહ્યા કરે એ પ્રતીતિ કહેવાય ને ?

દાદાશ્રી : શ્રદ્ધા એનું નામ કહેવાય કે ખસી જાય, વિશ્વાસ ઊઠી જાય. શ્રદ્ધા બેઠેલી ઊઠી જાય, પ્રતીતિ ના ઊઠે.

પ્રશ્નકર્તા : તો આ દર્શન કહેવાય ?

(પા.૯)

દાદાશ્રી : હા, દર્શન કહેવાય. એ ઊઠે નહીં.

પ્રશ્નકર્તા : દર્શન એટલે શું ?

દાદાશ્રી : દર્શન એટલે જે સમજની ગેડ બેસી ગયેલી હોય.

પ્રશ્નકર્તા : આ પ્રતીતિને દર્શન કહીએ તો લક્ષ શેમાં સમાય ?

દાદાશ્રી : લક્ષ એટલે નિરંતર ધ્યાનમાં જ રહે કે ‘હું શુદ્ધાત્મા છું.’ એટલે જાગૃતિ બધી ઉત્પન્ન થઈ છે હવે.

શુદ્ધાત્માનું લક્ષ

કોઈ કહે, ‘ભઈ, આત્મા લક્ષમાં કેમ આવતો નથી ?’ ત્યારે કહે, અલખ છે એટલે જ્યારે પોતાના જ્ઞાને કરીને એ ભાન થાય ત્યારે લક્ષમાં આવે. આત્મા અદ્રશ્ય કહેવાય. અલખ, લક્ષમાં જ ના બેસે કોઈ દહાડોય કે ‘હું શુદ્ધાત્મા છું.’ એવું લક્ષ જ બેસે નહીં.

પ્રશ્નકર્તા : એ લક્ષમાં લાવવા શું કરવું ?

દાદાશ્રી : એ તો આ જ્ઞાનથી લક્ષમાં આવે, બાકી અલખ એ એનો સ્વભાવ છે. એ આત્મા એ પરમાત્મા છે ને એ અલખ નિરંજન છે. કોઈ પણ એવું સાધન નથી, કોઈ પણ ઉપાય એવો નથી કે એનાથી આત્માનું લક્ષ બેસે. ભગવાને શું કહ્યું છે, ‘જે દુર્લક્ષ છે તેનું ક્યારેય લક્ષ ના બેસે અને જે લક્ષમાં છે તેનું ક્યારેય દુર્લક્ષ ના થાય.’ માટે જ આત્માને ‘અલખ નિરંજન’ કહ્યો છે.

પ્રતીતિ બેસી ગઈ હવે. ખાત્રી થઈ ગઈ કે હું ચંદુભાઈ નહીં પણ હું શુદ્ધાત્મા જ છું. એ પ્રતીતિ બેસી ગઈ ને લક્ષ બેસી ગયું.

લક્ષ નથી હોતું, તે ઘડીએ પ્રતીતિ હોય છે જ નિરંતર. અને પ્રતીતિ છે માટે લક્ષ ફરી આવે છે, નહીં તો લક્ષ આવે જ નહીં. એક ફેરો ખોવાયું એટલે યાદ કરવું પડે. આ તો એની મેળે જ આવીને ઊભું રહે છે. રાતે કોઈ વખત જાગો છો, ત્યારે ‘હું શુદ્ધાત્મા છું’ એ યાદ આવી જાય છે ને? હા. એટલે એ પૂરેપૂરું થઈ ગયેલું જ છે. હવે તમારે સમજવાની જરૂર છે. આ સાયન્સ છે ! એટલે બિલકુલ શબ્દેશબ્દ સમજવાની જરૂર છે.

જ્યાં પોતે નથી ત્યાં ‘હું છું’ એમ બોલવું એ જ મોટામાં મોટો રાગ, એ જ જન્મદાતા છે. ‘હું ચંદુલાલ’ એ જ રાગ છે. આ રાગ તૂટ્યો તો બધા રાગ તૂટ્યા. જેને ‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષ છે, એના બધા રાગ તૂટી ગયા છે અને જેને ‘હું આચાર્ય છું, હું કલેક્ટર છું’ એ ભાન છે, એના બધા રાગ ઊભા છે ! આ તો એવા તંતીલા થઈ ગયા છે કે એક વાત વાંકી કહી હોય તો આંખમાંથી ઝેર ટપકે. વીતરાગની વાત સમજ્યા નહીં. ‘હું ચંદુલાલ છું’ એ ભાન હોય તો બધા રાગ ઊભા થાય છે અને શુદ્ધાત્માનું ભાન થયું ને જ્યાં છું ત્યાં ‘હું છું’ બોલે છે એ રાગ નથી, પણ વીતરાગનું લક્ષ છે. શુદ્ધાત્મા વીતરાગ જ છે, એના લક્ષથી ‘બહારનું’ રિલેટિવ બધું ધોવાતું જાય છે. વીતરાગ કોણ ? ‘હું શુદ્ધાત્મા છું’ એ અથવા ‘દાદા’ યાદ આવે તો એય વીતરાગનું લક્ષ છે. વીતરાગ કોણ ? જ્ઞાનીમાં પ્રગટ થયા છે તે સંપૂર્ણ વીતરાગ છે ! અને જ્ઞાનીએ આપ્યું છે તે લક્ષ, એ સંપૂર્ણ વીતરાગનું લક્ષ છે. આ ગજબનું પદ તમને આપ્યું છે !

નિર્વિકલ્પી બેસાડે શુદ્ધાત્માનું લક્ષ

બાકી ક્યારેય લક્ષ ના બેસે એનું નામ અલખ નિરંજન.

પ્રશ્નકર્તા : ક્યારેય લક્ષ ના બેસે ?

દાદાશ્રી : ક્યારેય નહીં ! તું માથાફોડીને મરી જઉં તોય લક્ષ નહીં બેસે. શાસ્ત્રો વાંચ કે શાસ્ત્રો ઘોળીને પી જા, તોય તારું લક્ષ નહીં બેસે. કારણ કે પોતે વિકલ્પી છે, એને નિર્વિકલ્પીનું લક્ષ

(પા.૧૦)

કેમ બેસે ? ગમે એ મહેનત કરે, તેનાથી વિકલ્પ જાય નહીં અને નિર્વિકલ્પ થાય નહીં.

પોતે વિકલ્પી છે. નિર્વિકલ્પીનું લક્ષ જ બેસે નહીં. એટલે જ્યારે કોઈ જ્ઞાની પુરુષ નિર્વિકલ્પી થયેલા હોય તો જ (એમની પાસે) એ લક્ષ બેસે. જાતિ સ્વભાવથી લક્ષ બેસે છે. જાતિ સ્વભાવ એટલે વિકલ્પીને નિર્વિકલ્પીનું લક્ષ બેસી શકે નહીં. અને જો નિર્વિકલ્પીના લક્ષમાં લક્ષ બેઠુંને એમને, તો આત્માનો અનુભવ કહેવાય છે.

તમે શુદ્ધાત્મા છો એ લક્ષ બેઠું, એટલે તમે ‘ચંદુભાઈ’ એ તમારો વિકલ્પ ઊડી ગયો. હવે ચંદુભાઈ તમારું નામ ખરું, પણ તમે તો રંજનવાળા છો. હવે ચંદુભાઈ મટ્યા, હવે રંજન આત્મરમણતા છે. પહેલા તો નાશવંત ચીજોમાં જ રમણતા રાત-દહાડો હતી. હવે અવિનાશી રમણતા થઈ. જેને અવિનાશી રમણતા છે, એને મોક્ષ હથેળીમાં છે.

વસ્તુનો રસ ચૂકાવે શુદ્ધાત્મા દ્રષ્ટિ

પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા લક્ષ કેમ ચૂકી જવાય ?

દાદાશ્રી : બીજી વસ્તુમાં ‘ઈન્ટરેસ્ટ’ (રસ) હોય તો શુદ્ધાત્માનું લક્ષ ચૂકી જવાય. આપણને જે વસ્તુમાં રસ હોય તો તે વસ્તુ બાઝ્યા વગર તો રહે જ નહીં ને ! કઢી ઢળી ગઈ હોય તોય બૂમાબૂમ કરી મૂકે. કારણ કે એને એમાં ‘ઈન્ટરેસ્ટ’ છે. છેવટે આ રસ જ કાઢી નાખવાના છે, વસ્તુ કાઢવાની નથી. વસ્તુ કાઢવાથી જાય નહીં. જગત આખું વસ્તુ કાઢવાની માથાકૂટ કરે છે. અલ્યા, વસ્તુ ના જાય, એ તો લમણે લખેલી છે. વસ્તુ પ્રત્યેનો રસ કાઢવાનો છે.

પ્રશ્નકર્તા : શુદ્ધાત્માનું લક્ષ કાયમ કેવી રીતે રહે ? એની લિંક તૂટી જાય છે.

દાદાશ્રી : મહીં લક્ષની લિંક તૂટી જાય ત્યારે આપણે બોલવું પડે, ‘હું અનંત જ્ઞાનવાળો છું કે અનંત દર્શનવાળો છું.’ એવું બધું બોલે એટલે ફિટ થઈ જાય લિંક. લિંક તૂટી જાય, લિંક બધી પૌદ્ગલિક છે.

પ્રશ્નકર્તા : આવું બને ખરું ?

દાદાશ્રી : હા, બને એ તો. આવું બધું તો ઘણી વખત બને, અને તે જ્ઞેયસ્વરૂપે છે. અને જ્ઞેયને જોવાની લિંક તૂટી જાય. જ્ઞાતા તો હોય જ, પણ પેલી લિંક તૂટી ગઈ હોય તો આપણે બોલીએ તો ફરી લિંક ચાલુ થાય.

લિંક તૂટી ગયેલી ખબર પડે છે એનો (તું) જ્ઞાતા છું અને સળંગ રહેલી છે તેનોય જ્ઞાતા છું. આપણે જ્ઞાતાસ્વરૂપે જ છીએ. તૂટતું હોય તો તૂટે, બસ એને જાણવું જોઈએ આપણે.

લક્ષ એ અસ્પષ્ટ અનુભવ

અલખ નિરંજનનું લક્ષ બેસી ગયું તે આત્માનો પહેલો અનુભવ. ઊંઘી ગયો ને જાગે ત્યારે લક્ષ હાજર હોય, એ જ આત્માનો પહેલો અનુભવ અને કઢાપો-અજંપો ના થાય એટલે ભગવાન થયો.

શુદ્ધાત્મા અલખ નિરંજન છે, એ લક્ષમાં ક્યારેય ના આવે. એની વાઈફને ‘બા’ કહે તોયે લક્ષમાં ના આવે. ક્યારેય લક્ષમાં ના આવે એવું જોખમવાળું છે ને જો લક્ષમાં આવે તો બીજા બધાથી છૂટી જાય. કારણ કે બધી તૃપ્તિ શુદ્ધાત્મામાં છે. એટલે બધેથી લક્ષ ઊઠીને અલખમાં થઈ જાય. સર્વ પ્રકારની તૃપ્તિ શુદ્ધાત્મામાં છે એવું અમે જોયેલું છે, અનુભવેલું છે. પણ આપણે જોવાનું કે ક્યાં તૃપ્તિ નથી, ક્યાં લક્ષ ચોંટેલું છે હજુ, એ જોયું કે ત્યાંથી લક્ષ છૂટીને અલક્ષ થઈ જાય અને સંપૂર્ણ લક્ષાકાર થઈ જાય તો અનુભવ થઈ ગયો. જે લક્ષ બેઠું છે એ તો અનુભવ છે જ પણ સંપૂર્ણ લક્ષાકાર થાય એ જ અનુભવ.

પ્રશ્નકર્તા : લક્ષ અને અનુભવમાં ફેર ?

(પા.૧૧)

દાદાશ્રી : ના, એમ ફેર નહીં. લક્ષ એ નાના પ્રકારનો અનુભવ છે. અનુભવ એ પ્રત્યક્ષ પાઠ છે. પેલો સ્પષ્ટ અનુભવ ના થાય. અનુભવ ખરો પણ અસ્પષ્ટ હોય. અનુભવના બે પ્રકાર : અસ્પષ્ટ અને સ્પષ્ટ. જેને લક્ષ બેઠું હોય તેને આત્મ અનુભવી પુરુષ કહેવાય. પણ તે બીજાને કામના નહીં. અહીં ક્રમિક માર્ગના આત્મ અનુભવી હોય, તે કેટલાય માણસને ઉપદેશ આપી શકે અને આપણે અહીં આ માર્ગમાં આત્મ અનુભવી તે બીજાને ઉપદેશ આપી શકે નહીં. પોતે પોતાનું કલ્યાણ કરે. પોતાની વાત, પોતે સમજી જાય બધુંય પણ બીજાને સમજાવતા આવડે નહીં. કારણ કે એને પરિચય નથી એ વસ્તુનો, રસ્તે જતા પ્રાપ્ત થયેલું છે. પણ તે પોતાનું તો કલ્યાણ કરી નાખે.

એ લક્ષ બેઠા પછી કલ્પવૃક્ષી આત્મશક્તિઓ વધતી જાય, ખીલતી જાય. અને અકર્તાપદ, કારણ કે હવે પોતે કર્તા નથી. એટલે પહેલા કર્તાપદ હતું, તે હવે અકર્તાપદ થયું. તેનાથી કેવળજ્ઞાન-દર્શન, એ બેય પ્રફુલ્લિત થતું જાય.

કર્તાભાવ છૂટતા બેસે શુદ્ધાત્માનું લક્ષ

કર્તાભાવ છૂટે તો જ શુદ્ધાત્માનું લક્ષ બેસે. તમને (મહાત્માને) શુદ્ધાત્મપદ કેમ આપવામાં આવ્યું છે ? તમે શુદ્ધાત્મા અને ચંદુભાઈ જે કંઈ પણ કરે છે, તેના તમે રીસ્પોન્સિબલ (જવાબદાર) નથી, એવી ખાતરી થાય. સારું કરો તેનોય ડાઘ નથી પડતો ને ખોટું કરો તેનોય ડાઘ નથી પડતો. કર્તાપદ જ મારું ન્હોય, એ શુદ્ધાત્માનું લક્ષ બેઠું કહેવાય.

અમે ‘જ્ઞાન’ આપીએ છીએ ત્યારે તો બોલીએ છીએ કે ‘તું શુદ્ધાત્મા છું, એકઝેક્ટ ?’ ત્યારે કહે, ‘હા, એકઝેક્ટ.’ તો પણ આ શું રહ્યું? એ તારું વ્યવસ્થિત, ચોખ્ખું કહી દીધું ને !

વ્યવસ્થિતનો અર્થ શો ? ‘ચંદુભાઈ શું કરે છે’ એ તારે જોયા જ કરવાનું, એ વ્યવસ્થિતનો અર્થ ! પછી ચંદુભાઈએ કો’કનું નુકસાન કર્યું બે લાખનું, તેય ‘જોયા’ કરવાનું. ‘આપણે’ એમાં નહીં પડવાનું કે આવું કેમ કર્યું ? ‘આપણે’ પ્રતિક્રમણેય કરવાનું નહીં. આ તો પછી આ બધાને ના સમજણ પડે એટલે પછી પ્રતિક્રમણ ગોઠવેલું કે ‘ચંદુભાઈ પાસે પ્રતિક્રમણ કરાવજે.’ વ્યવસ્થિત એટલે જે છે એ જ એક્ઝેક્ટ તું જોયા કર, એ જ છૂટા !

પ્રશ્નકર્તા : ચંદુભાઈને એમ રહેવું જોઈએ કે કોઈને પણ કિંચિત્માત્ર દુઃખ ન થાય, એ ભાવ રહેવો જોઈએ.

દાદાશ્રી : એ ભાવેય કશું ના રહે તો જરૂર નથી. આ તો મોક્ષ એટલે કશો ભાવ જ નહીં. કશામાં, પુદ્ગલમાં હાથ જ નહીં ઘાલવાનો એનું નામ વ્યવસ્થિત. વ્યવસ્થિતનો અર્થ એકઝેક્ટ કે આ જે બને છે એમાં તારું કર્તાપણું નથી, તારી કોઈ લેવાદેવા નથી. ગમે તેવું હોય તોય ! પછી ‘ચંદુભાઈ’ ભયંકર કૃત્ય કરતો હોય, તો ‘મને શું થઈ જશે હવે’ એવું ના હોવું જોઈએ. એય ‘જોયા’ જ કરવાનું, એવું વ્યવસ્થિત આપેલું છે. જે ચંદુભાઈને થયું હોય એ જ જોયા કરવાનું. પછી એ જોયા કરે એ દ્રશ્ય અને પોતે દ્રષ્ટા. કાયમ આ વ્યવહાર ચાલ્યા કરે.

હવે આજ્ઞામાં રહેવાનું, બીજું કશું નહીં. અમે શું કહીએ છીએ, તું શુદ્ધ જ છું, એ રાઈટ બિલીફ અને હવે આજ્ઞામાં રહે એ બીજું, બસ ! એનું ફળ એની મેળે આવશે.

નિજ સ્વભાવનું, અનુભવ-લક્ષ-પ્રતીત

પ્રશ્નકર્તા : આપણો મહાત્મા કોઈ કર્તાભાવે હોય જ નહીં ને ? ગમે એ રીતે, અણજાણે પણ કર્તાભાવે ના હોય. અણજાણે ?

દાદાશ્રી : જે આ પાંચ આજ્ઞા પાળવાને તૈયાર છે, થોડી ઘણી પાળે છે, તેને કોઈ જાતની હરકત છે નહીં. એ કર્તાભાવમાં હોય જ નહીં.

(પા.૧૨)

પ્રશ્નકર્તા : દાદા, તો પછી (આપણા મહાત્માઓને) કઈ શ્રેણીમાં ગણવા ? અનુભવ, લક્ષ અને પ્રતીતિ એ ત્રણેયમાં ગણવા કે ?

દાદાશ્રી : આ ત્રણથી નીચે ઊતરે નહીં, એ આપણું અક્રમ વિજ્ઞાન. (મહાત્માઓને) પોતે શુદ્ધાત્મા થયા, એટલે મોક્ષ નક્કી થઈ ગયો, એમાં બે મત નહીં ને ! પણ સ્વાદ કેટલો મળે ? પ્રતીતિનો. તમે રાત્રે જાગો તો તરત ‘હું શુદ્ધાત્મા છું’ એ એની મેળે તમને યાદ આવી જાય, એ લક્ષ બેઠું કહેવાય. એટલે ‘હું શુદ્ધાત્મા છું’ હંડ્રેડ પરસેન્ટ (સો ટકા) પ્રતીતિ બેસી ગઈ અને લક્ષ બેસી ગયું. લક્ષ એટલે જાગૃતિ. જે જાગૃતિ છે ને, એ હવે વધતી વધતી સંપૂર્ણતાને પામશે અને ત્રીજું, અનુભવ થાય. તે અનુભવના આધારે તમે રોજ સત્સંગમાં આવો છો. તમે કંઈ ચાખ્યું ને ગળ્યું લાગ્યું.

શ્રીમદ્ રાજચંદ્રે આને શું કહ્યું ? પરમાર્થ સમકિત કહ્યું. એટલે ક્ષાયક સમકિત કહ્યું.

કૃપાળુદેવ આત્મસિદ્ધિમાં બોલ્યા કે ‘વર્તે નિજ સ્વભાવનું, અનુભવ, લક્ષ અને પ્રતીત.’ તે તમને પોતાના આત્મસ્વભાવની પ્રતીતિ રહે છે અને લક્ષમાં ‘હું શુદ્ધાત્મા છું’ તેય રહે છે અને અનુભવ ચેતવે છે તેય રહે છે. આ ત્રણેય શબ્દનું વર્તે છે. ‘વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.’ વૃત્તિ પહેલાં જે બહાર રખડવા માગતી હતી બધી, જે અનાદિકાળથી વૃત્તિઓ બહાર વહેતી’તી, આમ કરું કે તેમ કરું. તમારી ઉંમરના થયેલા હોય ને, તેની વૃત્તિઓ ક્યાં જાય ? ઠેઠ ફોર્ટ (મુંબઈ)માં જઈને આ કરીએ કે તે કરીએ, કંઈ રૂપિયા હાથમાં આવ્યા છે, તે કશુંક કરીએ, ફલાણો ધંધો કરું, ફલાણું કરું. હવે એ બધું બંધ થઈને પોતાના સ્વભાવમાં પાછી ફરવા માંડી વૃત્તિઓ. તે હવે વૃત્તિઓ બહાર ના જાય, પાછી વળે બધી. ઊલટી જે બહાર ગયેલી હોય ને, તે પાછી વળે. તમારે પાછી વળે છે કે નથી વળતી ? પાછી ના વળે તો તમને કૈડ ઊભી થઈ જાય. અને ચિંતા ઊભી થઈ તો જાણવું કે પાછી નથી વળતી.

આ તો ચિત્તવૃત્તિઓ પાછી ફરે. ભટકવા બહાર જતી હતી, એ હવે ભટકવાની નહીં. એ ચિત્તવૃત્તિઓ બધી પાછી ફરવા માંડી. જેમ સાંજ પડે ને ગાયો-ભેંસો બધી પાછી આવે એવી રીતે આ ચિત્તવૃત્તિઓ પાછી આવવા માંડી. પેલું સવારમાં જાય અને સાંજે પાછી આવે એવી રીતે અજ્ઞાનતાથી ચિત્તવૃત્તિ ભટકે અને જ્ઞાનથી પછી ભટકતી બંધ થઈ જાય. સંસારની વિસ્મૃતિ એના જેવો કોઈ મોક્ષ નથી. નવરી પડી કે વૃત્તિઓ બહાર જાય ફરવા. બેનને ત્યાં જાય, ભાઈને ત્યાં જાય, આમ જાય, તેમ જાય, ચૂંથારા જ કર્યા કરે. અને હવે નવરી પડે તો ના જાય અને ગઈ હોય તો પાછી આવતી રહે.

પ્રશ્નકર્તા : એટલે પછી વૃત્તિ જે આત્મામાં હોય એ બહાર નીકળે જ નહીં ?

દાદાશ્રી : ના. બહાર નીકળે ને અંદર હોય, બહાર નીકળે ને અંદર હોય એવું થયા કરે.

પ્રશ્નકર્તા : પણ અંદર વહી જાય પાછી.

દાદાશ્રી : બહાર નીકળે નહીં એ તીર્થંકરને. પણ આપણે ત્યાં સુધી જઈ શકીએ કે જ્યાં અંદર-બહાર બન્ને જ રહે.

પ્રશ્નકર્તા : આ દાદાનું જ્ઞાન આપેલું છે, એને આધારે છે તો વૃત્તિઓ બહાર ગમે એટલી જાય તો પાછી ખેંચાઈ આવે છે ને ?

દાદાશ્રી : એ તો આવે ને પાછી બહાર જાય. તે પાછી આવી જાય પણ આ અહીંનું અહીં આટલામાં રહે, આ આપણી બાઉન્ડ્રીમાં ને બાઉન્ડ્રીમાં જ રહે. બહાર વેપારમાં જો ગયેલી હોય તો પાછી આવતી રહે.

આ જાગૃતિ રહે ને, બીજું કશું નહીં. જાગૃતિ

(પા.૧૩)

ને આ આટલું દાદાનું મોઢું યાદ આવે, તે ઘડીએ પાછા આત્મામાં પેસી ગયા કહેવાય. યાદ આવ્યું કે મહીં પેઠું પાછું એના ઘરમાં !

એ વૃત્તિઓ બહાર શું કરવા જાય છે ? તે બહાર ભટકતી હતી, તે સુખના હારુ ભટકતી હતી. તે જ્યાં ત્યાં ભટક ભટક કરી સુખ ખોળે છે. વૃત્તિઓ બધી સુખને ખોળ્યા કરે. તે ક્યાંય કંઈ સુખ મળ્યું નહીં પણ અહીં તો ચોખ્ખું-રોકડું મળે છે, પછી શા હારુ બહાર ભટકે ?

પ્રતીતિ-દર્શન, લક્ષ-જાગૃતિ, અનુભવ-જ્ઞાન

દરેક વસ્તુનો નિયમ એવો કે પહેલું આપણને પ્રતીતિ બેસી જાય કે આ કરેક્ટ (સાચું) છે. વર્તનમાં ના હોય. પ્રતીતિ બેઠાં પછી ઘણે કાળે વર્તનમાં આવે. આ ભણે છે, તે ભણવામાંય આપણને પહેલી પ્રતીતિ બેસે. પછી ધીમે ધીમે અનુભવ થતા જાય અને પછી વર્તનમાં આવતું જાય. મોક્ષ એટલે સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન, સમ્યક્ ચારિત્ર.

અનુભવ, લક્ષ ને પ્રતીતિ. તે પ્રતીતિ દર્શનમાં જાય. લક્ષ છે તે જાગૃતિમાં જાય. લક્ષ એટલે જાગૃતિ. અને જે પ્રતીતિ થયેલી તે અનુભવમાં આવવું તેનું નામ જ્ઞાન થયું કહેવાય. ‘હું શુદ્ધાત્મા છું’ એ દર્શન, એનો અનુભવ થાય એ જ્ઞાન.

પ્રશ્નકર્તા : આપણે આત્માનું જ્ઞાન કહીએ અને પછી આત્માનો અનુભવ કહીએ, તે આત્માનો અનુભવ અને આત્માના જ્ઞાનમાં ફરક શું?

દાદાશ્રી : આત્માનું જ્ઞાન સંપૂર્ણ કહેવાય અને અનુભવ અંશે અંશે કહેવાય. અંશજ્ઞાનને અનુભવ કહ્યું અને સર્વાંશજ્ઞાનને જ્ઞાન કહ્યું. અંશે અંશે વધતો વધતો અનુભવ સંપૂર્ણ થાય.

આત્માનો અનુભવ : તપ : ચારિત્ર

પ્રશ્નકર્તા : હવે જે અનુભવ છે, એને ચારિત્ર કહેવાય ?

દાદાશ્રી : ના, ચારિત્ર નહીં. અનુભવ એનું નામ કહેવાય કે જે પ્રતીતિ નક્કી થાય છે કે આ બરોબર છે. એ જેમ જેમ અનુભવ નક્કી થાય એમ કરતાં કરતાં જ્ઞાન તૈયાર થઈ જાય.

પ્રશ્નકર્તા : તો ચારિત્રમાં ક્યારે આવ્યું કહેવાય ?

દાદાશ્રી : એ તો જ્ઞાન અને દર્શનનું ફળ આવે ત્યારે ચારિત્ર કહેવાય. જેટલા પ્રમાણનો અનુભવ, એટલા પ્રમાણમાં વીતરાગતા, એટલું જ ચારિત્ર કહેવાય. તપ વગર ચારિત્ર ના હોય. જેટલું તપ કરો એટલું ચારિત્ર ઉત્પન્ન થાય. તપને જોવું-જાણવું એ જ ચારિત્ર.

પ્રશ્નકર્તા : તો અત્યારે દર્શનમાં આવ્યા પછી એને ગેડ બેઠી અને એને જ્ઞાનમાં નક્કી થયું કે હું શુદ્ધાત્મા છું. તો...

દાદાશ્રી : એ અનુભવ થયો કહેવાય. જેટલો અનુભવ થાય છે, એટલું એને અંશ જ્ઞાન થાય. એવું પછી સર્વાંશ જ્ઞાન થાય અને દર્શન તો સર્વાંશ જ આપેલું છે, કેવળદર્શન આપ્યું છે. પણ જેટલું જ્ઞાન થાય ત્યારે ચારિત્ર વર્તે. તે જેમ જેમ જ્ઞાન થતું જાય તેમ ચારિત્ર વધતું જાય પાછું.

પ્રશ્નકર્તા : એટલે અનુભવ વખતે અંશજ્ઞાન પરિણામ પામ્યું કહેવાય?

દાદાશ્રી : અનુભવમાં આવ્યું તેટલું જ જ્ઞાનમાં આવ્યું કહેવાય. અનુભવમાં ના આવ્યું, એને જ્ઞાન ના કહેવાય.

પ્રશ્નકર્તા : તો અનુભવમાં આવે એટલે તેટલા અંશે ચારિત્રમાં આવે જ ને ?

દાદાશ્રી : પછી ચારિત્રમાં આવે. અહીં જ્ઞાન અાપીએ છીએ, દર્શન તો ત્યારથી જ છે. હવે જેમ અનુભવ થતો જાય એ જ્ઞાન. પછી રોજ મહીં સત્સંગમાં બેસો ને એટલે જ્ઞાની દશા, તેના

(પા.૧૪)

પર્યાય બધાં પૂરા થઈ જાય. અનુભવ ને દર્શન બે ગુણાકાર થાય એટલે ચારિત્ર વર્તે. દર્શન થયા પછી જેમ જેમ જ્ઞાન પરિણામ પામે, તેમ ચારિત્ર ઉત્પન્ન થાય. એટલે જ્ઞાન અને દર્શનનું ફળ આવે તેમ હવે ચારિત્ર મહીં આવતું જશે. એ જેટલું તપ કરો એટલું ચારિત્ર ઉત્પન્ન થાય ! જ્યારે જ્યારે ચારિત્ર હોય ત્યારે તપ પૂરું થઈ ગયું. તપ આવે ને તપ ના થાય તો ચારિત્રને બહારેય મૂકી દે, ઊડાડી દે. તપ થવું એ ભાગ ચારિત્રમાં ગયો. જેટલામાં તપ થયું, એનું નામ ચારિત્ર. તપ પૂરું થયા પછી જ ચારિત્ર હોય.

ક્રમિક માર્ગમાં જ્ઞાન પ્રમાણે, જ્ઞાનના અનુભવથી પ્રતીતિ પ્રાપ્ત થાય. આપણને આ અક્રમ માર્ગમાં પ્રતીતિ પ્રમાણે અનુભવ થાય, એટલું જ્ઞાન પ્રગટ થાય. જે પ્રતીતિ થયેલી, તે અનુભવમાં આવવું, એનું નામ જ્ઞાન થયું કહેવાય.

આમ શુદ્ધાત્માનો છોડવો ઊંચો થાય

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી પણ ‘હું શુદ્ધાત્મા છું’ એવો અનુભવ થવો એ થોડું અઘરું પડે છે.

દાદાશ્રી : ના, એ થવું જોઈએ. રાખવું પડે નહીં, એની મેળે જ રહે. એને માટે શું કરવું પડે ? એ પછી મારી પાસે આવવું-જવું પડે. પાણી જે છાંટવાનું એ છંટાતું નથી, એટલે આ બધું અઘરું થઈ જાય છે. આપણે ધંધા ઉપર ધ્યાન ન રાખીએ તો શું થાય ધંધાનું ?

પ્રશ્નકર્તા : ડાઉન (ઓછો) થઈ જાય.

દાદાશ્રી : હા, એવું આ પણ છે. જ્ઞાન લઈ આવ્યા, એટલે આને પાણી છાંટવું પડે, તો છોડવો ઊંચો થાય. છોડવો હોય ને નાનો, તેનેય પાણી છાંટવું પડે. તે કોઈ દહાડો મહિને-બે મહિને જરા પાણી છાંટીએ આપણે.

પ્રશ્નકર્તા : ઘેર છાંટીએ છીએ.

દાદાશ્રી : ના, પણ એ ઘેર છે તે એવું ના ચાલે. એ ચાલતું હશે? રૂબરૂ જ્ઞાની અહીં આવ્યા હોય ને આપણને એની વેલ્યુ (કિંમત) જ ના હોય ! સ્કૂલમાં ગયેલા કે નહીં ગયેલા ? કેટલા વર્ષ ગયેલા ?

પ્રશ્નકર્તા : દશ વર્ષ.

દાદાશ્રી : ત્યારે શું શીખ્યા એમાં ? ભાષા ! આ અંગ્રેજી ભાષા હારુ દશ વર્ષ કાઢ્યા, તો અહીંયા મારી પાસે તો છ મહિના કહું છું. છ મહિના મારી પાછળ ફરે ને, તો કામ થઈ જાય.

પેલી ચોપડી-બોપડી વાંચો છો, ચરણ વિધિ ?

પ્રશ્નકર્તા : હા, બધી વાંચું છું.

દાદાશ્રી : વાંચજો, એટલું જ કરવાની જરૂર છે. બીજું આ શુદ્ધાત્મા જોવાના બધા લોકોમાં ! બહુ સારું રહે. આ તો બેસ્ટ વે (સરસ રસ્તો) છે.

પ્રશ્નકર્તા : હવે રોજ ચરણ વિધિ-નમસ્કાર વિધિ છે એ વાંચું છું.

દાદાશ્રી : હા. પણ આજ્ઞા પાળો ને, તો બહુ સુંદર રહેશે. આજ્ઞા એની વાડ છે, નહીં તો કોહવાઈ જાય બધું આ તો !

સમકિત થકી ક્ષાયક ભણી

‘હું શુદ્ધાત્મા છું’ લક્ષ બેસે, એને મોટામાં મોટી વસ્તુ ભગવાને કહી છે. ત્યાં ક્રમિક માર્ગમાં તો શબ્દની પ્રતીતિ હોય, તેની બહુ કિંમત છે. શુદ્ધાત્માના જે ગુણ છે એ ગુણ ઉપર પ્રતીતિ બેસે કે ‘આ હું છું.’ એની બહુ મોટી કિંમત ગણી છે, એને સમકિત કહ્યું છે, તેય પાછી શબ્દની પ્રતીતિ. અને તમારે તો ‘વસ્તુ’ની પ્રતીતિ થઈ, સ્વાભાવિક પ્રતીતિ છે એટલે ક્ષાયક પ્રતીતિ કહેવાય ! આ જ્ઞાન બહુ કામ કરનારું છે.

જેમ જેમ જાગૃતિ વધતી જાય, તેમ તેમ ઉપશમ થયેલા (વ્યતિરેક) ગુણો (કષાયો) ક્ષય થતા જાય. એ જાગૃતિનો ફાયદો ઉઠાવવાનો છે.

(પા.૧૫)

આ બહારના કર્મો ઉપશમ થયેલા હોય, એને સામાયિકો કરીને ક્ષય થાય. પણ તોય ‘ટેસ્ટેડ’ ના થાય ત્યાં સુધી વળે નહીં. સંસારમાં ‘ટેસ્ટિંગ એક્ઝામિનેશન’ (પરીક્ષણ પરીક્ષા) આવવી જોઈએ.

બાકી, જાગૃતિ તો એનું નામ કહેવાય કે આ દેખાય, તે દેખાય, બધું દેખાય. આ ‘દાદા’ જ આખો દહાડો યાદ રહ્યા કરે. અને ‘હું શુદ્ધાત્મા છું’ - એ બધું ‘દાદા’ને લીધે જ છે, એ કૃપાફળ કહેવાય. જ્યારે આ જાગૃતિ એ જુદી વસ્તુ કહેવાય.

બાકી, આમાં ઉતાવળ કરવા જેવી વસ્તુ નથી. જે જ્ઞાન તમે પામ્યા ને, તે લાખ અવતારેય કોઈ ના પામે. આ તો ઉતાવળિયું (બે કલાકમાં) મળે છે, તે રઘવાયો થઈ જાય. આ રઘવાયા થવાની ‘લાઈન’ જ ન્હોય, આ તો સ્થિરતાની ‘લાઈન’ છે !

સામાન્યભાવે જોતા વીતરાગ

બધાંને શુદ્ધાત્માભાવે જોતાં જોતાં ચાલીએ તો એ છે તે સામાન્યભાવ કહેવાય. એટલે બધા આત્માના દર્શન થાય, એમાં વીતરાગ રહેવાય. અહીંથી ગાડીમાં જઈએ ને, તો બે પ્રકારના દર્શન. એક સામાન્ય ભાવે દર્શન એ દર્શન કહેવાય અને વિશેષ ભાવે દર્શન એ જ્ઞાન કહેવાય. વિશેષભાવે દર્શન એટલે શું ? આ લીમડો, આ આંબો, એ વિશેષભાવ કહેવાય. અને સામાન્ય ભાવે જોવું એ દર્શન કહેવાય. સામાન્ય ભાવમાં બધા જીવો આવી જાય. બધા જીવોને શુદ્ધાત્માભાવે દર્શન કરીએ. અને વિશેષભાવમાં બધા જીવો રહી જાય ને લીમડો ને આંબો એટલા જ આવે. એટલે વિશેષભાવ કરતાં સામાન્યભાવ સારો. વિશેષભાવમાં નહીં પડવું. પણ છૂટકો ના હોય ત્યાં આગળ, સામા છે તે નગીનદાસ શેઠ આવતા હોય તો પાછું વિશેષ ભાવમાં પડવું પડે ને ! છૂટકો જ નહીં ને, નહીં? અને કોઈ પૂછે કે આંબો અહીં આગળ છે કે નહીં ? ત્યારે આપણે દેખાડવો પડે ને પછી ! પણ નાછૂટકે, આપણે જાણી-જોઈને ના પડવું. આ આંબો ને લીમડો! અલ્યા મૂઆ, અનંત અવતાર આનું આજ કર્યું છે ને, બીજું શું કર્યું છે તે ? કોનો છોકરો લીમડો ને કોનો છોકરો આંબો, આ બધી શું કરવા ભાંજગડ હવે તે ? આપણે આપણી કેરીઓ ખાવી છે, ખાને છાનોમાનો!

આપણે વકીલ ખોળવા નીકળ્યા હોય, તો એના વાળને જોઈએ કે એની વકીલાતને જોઈએ ? હા, અહીં આગળ કાળા દાબડા પહેરીને લાવ્યો હોય, એ દાબડાને આપણે શું કામ છે ? આપણે એની વકીલાત છે કે નહીં? તેવી રીતે આપણે આમાં આત્મા જોઈએ.

જ્ઞાની પુરુષ આમ જતાં હોય તો એ એવું ના જુએ કે આ બહેનો છે કે આ ભાઈઓ છે કે આ જાડો છે, આ પાતળો છે કે આ લૂલો છે કે આ લંગડો છે, એવું તેવું ના જુએ. ત્યારે કહે, શું જુએ ? એ સામાન્ય ભાવે આત્મા જ જુએ.

વિશેષ ભાવ ના કરે. વિશેષ ભાવવાળો શું કરે ? જો ને, લંગડો છે. એટલે બીજું જોવાનું અટકી ગયું. એક જ જોયું અને લાભ એકનો જ મળ્યો અને સો જણનો ગયો. વિશેષ ભાવ કર્યો. એટલે અમે સામાન્ય ભાવે બધું જોઈએ. અત્યારે વિશેષ જ્ઞાન એ બુદ્ધિમાં જાય છે અને બુદ્ધિ જોડે અહંકાર હંમેશાં આવે જ. સામાન્ય જ્ઞાન એટલે બધામાં શુદ્ધાત્મા ‘જો જો’ કરવા. વિશેષ પરિણામને ના જોઈએ કે આ ડાહ્યા છે ને આ અક્કલ વગરના છે અને આ મૂરખ છે અને આ ગધેડા છે, એવી ભાંજગડમાં અમે ક્યાં પડીએ ?

પ્રશ્નકર્તા : એટલે જ આપ પેલો અભ્યાસ કરવાનો કહો છો ને, કલાક કે દરેકને શુદ્ધાત્મારૂપે જોવાનો અભ્યાસ કરવો જોઈએ.

દાદાશ્રી : હા, જેટલો જેટલો અભ્યાસ કરે ને, એટલે પછી વિશેષ પરિણામ ઊડી જાય. વિશેષ

(પા.૧૬)

પરિણામથી અભિપ્રાય ઊભા થાય. આ આંધળો છે અને આ લૂલો છે, એ તો પુદ્ગલની બાજી છે.

ખપે જ્ઞાન-સમજણ ભૂલ વગરની

આત્મા જાણવા તો ખાલી વાતને સમજવાની છે, કરવાનું કંઈ જ નથી. એક જણ ભગવાનને પૂછ્યું, ‘મારો મોક્ષ ક્યારે થશે ?’ ત્યારે ભગવાને કહ્યું, ‘તમારી સમજણ ભૂલ વગરની થશે ત્યારે તમારો મોક્ષ થશે.’ બોલો, હવે ભગવાને આમાં ખોટું શું કહ્યું?

પ્રશ્નકર્તા : બરાબર કહ્યું છે.

દાદાશ્રી : પછી પાછું એણે ભગવાનને પૂછ્યું, ‘જપ-તપ કરવાના તેનું શું ?’ ત્યારે ભગવાને કહ્યું, ‘એ તો તારે જે દહાડે અજીર્ણ થયું હોય તે દહાડે ઉપવાસ કરજે. જપ-તપની અમારે શરત નથી. તારું જ્ઞાન અને સમજણ કોઈ પણ રસ્તે ભૂલ વગરના કર, એટલું જ અમારે જોઈએ.’ અત્યારે તમારે કેટલી બધી ભૂલો છે ? ‘હું ચંદુલાલ છું, આ બાઈનો ધણી છું, આ બાબાનો બાપો છું.’ કેટલી બધી ભૂલો...ભૂલોની પરંપરા જ છે ! મૂળમાં જ ભૂલ છે, ત્યાં શું થાય ? એક રકમ વિનાશી છે ને એક રકમ અવિનાશી છે. હવે આ બેને ગુણવા જાય ત્યાર હોરી તો પેલી વિનાશી રકમ ઊડી જાય. એટલે ગુણાકાર કોઈ દિવસ થાય નહીં ને જવાબ આવે નહીં. શક્કરવાર વળે નહીં ને શનિવાર થાય નહીં. ‘એવરી ડે ફ્રાયડે ને ફ્રાયડે’ જ હોય! લોક આડગલીમાં પેસી ગયું છે ! ભૂલથી તો સંસારેય સારો ના થાય તો મોક્ષ તો શી રીતે થાય ? ખરી રીતે તો તું પોતે મોક્ષસ્વરૂપ જ છો. તું જ પરમાત્મા છે, માત્ર ભૂલ વગરનું જ્ઞાન ને ભૂલ વગરની સમજણનું ભાન થવું જોઈએ. તમે શુદ્ધાત્મા તો છો જ, પણ તેનું ભાન થવું જોઈએ.

ચેતો, નહીં તો રખડીશું કળિયુગમાં હજી

પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા થયા પછી એને દબાણ કેમ વળગી પડતા હશે?

દાદાશ્રી : આ જે શુદ્ધાત્મા પ્રાપ્ત થયો છે, તે તમારા બધાં કર્મોનો નિકાલ કર્યા પછી પ્રાપ્ત થાય તો કશું મહીં પેસે નહીં. આ તો કર્મ તમારા ખપાવ્યા સિવાયના ઊભા રહ્યા છે અને આ પ્રાપ્ત થઈ ગયું છે. હું શું કહું છું કે આવું પ્રાપ્ત થયા પછી આ કર્મોનો નિકાલ કરી નાખો ઝટપટ. આ બધું દેવું વાળી દો. નહીં તો શુદ્ધાત્મા પ્રાપ્ત થયા સિવાય દેવું વળે એવું નહોતું કોઈ રસ્તે ! એટલે આ તો નાદારી ઉપરથી સાદારમાં થવાનું છે, આ દેવું પાર વગરનું છે ! ને હવે જે રખડ્યા ને, તે ૮૧,૦૦૦ વર્ષ સુધી રખડવાના છે. માટે અત્યારે ઊંચકી લઈએ છીએ, તે જેને યોગ પ્રાપ્ત થઈ જાય તે કામ કાઢી લો, નહીં તો સ્લીપકાળ છે, લપસણો કાળ છે. પાર વગરના તમારા દેવાં હતા, તેની મહીં તમને જાગૃત કરી દીધા. તમને જાગૃતિ વર્તે છે કે નહીં ?

પ્રશ્નકર્તા : વર્તે છે.

દાદાશ્રી : એ જાગૃતિ સંપૂર્ણ ટોચ ઉપર બેસીને જોઈએ. મહીં કશુંય હાલ્યું હોય તે ખબર પડી જાય કે મહીં અંદર શું હાલ્યું ? અને તે આપણા હિતનું કે આપણા વિરોધી છે, તે તરત સમજી જવું જોઈએ.

આખું જગત ઉઘાડી આંખે ઊંઘે છે. કારણ કે એ શેમાં જાગે છે? પૈસામાં, વિષયમાં જાગે છે. જગત આખું તાળો મેળવીને થાક્યું છે, કશું વળતું નથી. માટે તમને હું શું કહું છું કે બધું ‘વ્યવસ્થિત’ છે. એટલે કે તમારો હિસાબ છે. એને કોઈ ફેરફાર કરનારો નથી. માટે તાળો મેળવશો નહીં. તમે તમારું કામ કર્યા કરો. ‘વ્યવસ્થિત’ તમને બધી જ યારી આપ્યા કરશે.

હવે માયા દૂર રહેવી જોઈએ. માયા ઘૂસવી ના જોઈએ. આ તો નાની નાની ચીજ તમને અજગરની પેઠે ગળે છે. જ્યારે મોટી બાબત આવે ત્યારે જ તમે શુદ્ધાત્મામાં પેસો છો ! એટલે બધી જ બાબતમાં જાગૃતિ રહેવી જોઈએ. આમાં ભૂલ થાય તે ચાલે નહીં.

(પા.૧૭)

દાદાની સ્વ-પર દ્રષ્ટિ

પ્રશ્નકર્તા : જે આત્મા ને પુદ્ગલનું ડિમાર્કેશન (ભેદરેખા) છે ને, આપને જેવી રીતે છૂટો લાગે એવી રીતે અમને આત્મા છૂટો કઈ રીતે લાગે ?

દાદાશ્રી : છૂટો જ છે ને !

પ્રશ્નકર્તા : છે પણ આપ જે રીતે જોઈ શકો છો, આત્મા જુદો અને પુદ્ગલ જુદું એવું અમે જોઈ શકીએ ખરા ?

દાદાશ્રી : એ સ્ટેશન આવે ત્યારે જોવાય ને !

પ્રશ્નકર્તા : એટલે એ કઈ રીતનું હોય ?

દાદાશ્રી : કશી રીત ના હોય. આ આત્મા ને પુદ્ગલ, આ બે અડીને જ છે, પણ સંગ નથી બેને.

પ્રશ્નકર્તા : પણ આ જે તમે બેઠા છો અત્યારે અને દાદા ભગવાન ‘દાદા’ને જુએ છે, એ કઈ રીતે આમ જુએ છે ?

દાદાશ્રી : સ્વ-પર દ્રષ્ટિથી. સ્વની દ્રષ્ટિ ને પરની દ્રષ્ટિથી. મેં જે તમને આત્મા આપ્યો એ (સ્વ) (જાગૃતિ)ની દ્રષ્ટિ જુદી અને આ (પર) (બુદ્ધિ)ની દ્રષ્ટિ જુદી. આ જે રૂમ ને આ બધું દેખાય છે એ દ્રષ્ટિ જુદી, પરની દ્રષ્ટિ કહેવાય અને પેલી સ્વની દ્રષ્ટિ. સ્વદ્રષ્ટિ જુદી હોય. સ્વ અને પર બેઉ જુદું દેખાય. આ પર ને આ સ્વ, તમે હઉ સમજો છો ને, પણ તમારે ઊંડા ઉતરવાની જરૂર નથી. પણ આપણને તો સમજાય ને કે ભઈ, આ બધું જુદું. તમને ખબર ના પડે કે આ પર છે ?

પ્રશ્નકર્તા : હા, એ તો ખબર પડે.

દાદાશ્રી : એ જ દ્રષ્ટિ. આ ન્હોય ને આ હું, આ ન્હોય ને આ હું. એટલે આ જ મજબૂત કરી દો! આ રોડ બધા કાચા હોય ને પછી આગળ રોડ કરીએ ને તો પછી પેલું કાચું પડી જાય. આ રોડ જે મજબૂત છે ને જ્યાં સુધી દેખાયો ત્યાં સુધી એને મજબૂત થઈ જવા દો બરાબર. એ તો નિયમથી જ આ બધું કામ કરે છે. તમારે એ બધી ભાંજગડમાં ઉતરવાનું નહીં. નહીં તો અહીં (સંસારમાં) હતો એવો ડખલવાળો થઈ જાય. ત્યાં (જ્ઞાનમાં) ડખલની જરૂર જ નહીં. આપણે આજ્ઞામાં રહો. આજ્ઞાની બહાર નીકળીએ એ ભયંકર ગુનો કહેવાય. આ તો પહેલાંની જે ટેવો પડી ગયેલી ને, તે બધી હેબિટ (ટેવ) હેરાન કરે. બાકી, પાંચ આજ્ઞા જ પાળવાની. બીજી ડખલમાં ઉતરવાનું જ નહીં. તમને ખબર પડે ને કે આ પર છે, આ સ્વ ન્હોય?

પ્રશ્નકર્તા : હા દાદા, એ તો ખબર પડી જાય.

દાદાશ્રી : જગતના લોકો કોઈ સમજી ના શકે.

અક્રમમાં મળી ‘આજ્ઞા’ એ સાચવજો

પ્રશ્નકર્તા : ‘હું શુદ્ધાત્મા છું’ એ જ્ઞાન છે ?

દાદાશ્રી : ના, એ જ્ઞાન તો વિજ્ઞાન કહેવાય. જ્ઞાન તો આ શબ્દમાં લખેલું છે, જે કરવું પડે, એને જ્ઞાન કહેવાય અને કરવું ના પડે, એની મેળે સહજ થયા કરે એ વિજ્ઞાન.

પ્રશ્નકર્તા : સહજ ભાવે આત્માની દશા માટે ધ્યાનમાં બેસવું કે ના બેસવું?

દાદાશ્રી : સહજ ભાવ જ એને કહેવામાં આવે છે કે ઊંઘમાંથી જાગો ત્યારે કશા પ્રયત્ન સિવાય તમને ‘હું શુદ્ધાત્મા છું’નો ખ્યાલ આવે. તમને એવો ખ્યાલ આવે છે એની મેળે?

પ્રશ્નકર્તા : આવે.

દાદાશ્રી : એનું નામ સહજ કહેવાય અને બીજું બધું અસહજ કહેવાય. આ સહજ કહેવાય, ‘હું શુદ્ધાત્મા છું’ એની મેળે જ આવે અને બીજે ગુરુ મહારાજ મંત્ર સ્મરણ આપે છે, તે યાદ આવે ને નાયે આવે. એને માટે પ્રયત્ન કરવો પડે ને આ તો તમને સહજ થઈ ગયેલું છે. સહજાત્મસ્વરૂપ તમારું થઈ ગયું છે. તમારો આત્મા સહજ થઈ

(પા.૧૮)

ગયો છે, હવે દેહને સહજ કરવાનો છે. તે પાંચ આજ્ઞા પાળવાથી થઈ શકે સહજ. બન્ને સહજ થઈ ગયા, એનું નામ મોક્ષ.

પ્રશ્નકર્તા : દાદા, આપ કહો છો કે આજ્ઞા બહુ સીધી છે, સરળ છે, એ વાત બરોબર છે પણ પહેલી ને બીજી આજ્ઞાની અંદર નિરંતર રહેવું એ કંઈ સહેલું છે ?

દાદાશ્રી : રહેવાને માટે વાંધો નથી પણ એવું છે ને, ઉપવાસ કરીને જોજો, રહેવાય છે કે નથી રહેવાતું ?

પ્રશ્નકર્તા : એ ના સમજ પડી, દાદા.

દાદાશ્રી : આખો દહાડો ઉપવાસ કરીને જોજો, રહેવાય છે કે નહીં ? કારણ કે આ તો ખોરાક આવ્યો કે ડોઝિંગ થવા માંડ્યું.

અમે તમને એટલું જ કહીએ કે આ વિજ્ઞાન કોઈ અવતારમાં મળ્યું નથી. મળ્યું છે તો સાચવજો. અક્રમ છે આ, અને કલાકમાં આત્મજ્ઞાન પામે એવું છે. ક્યારેય પણ અશાંતિ નથી થાય એવું, નિરંતર સમાધિમાં રહેવું હોય તો રહી શકે. ખાતા-પીતા, બેસતા-ઊઠતા, સ્ત્રી સાથે રહેતા રહી શકે એમ છે. જો ના રહેવાય તો મને પૂછો તો કઈ જગ્યાએ નડે છે, તે હું કહી આપીશ કે આ પોઈન્ટ દબાવજો. ‘હું શુદ્ધાત્મા છું’ એવું બોલવાની જરૂર નથી. રિલેટિવ ને રિયલ જોયા કરજો.

જ્ઞાનદ્રષ્ટિથી પોતે ભગવાન

જ્ઞાન એ તો દ્રષ્ટિ છે. આ ચામડાની આંખની દ્રષ્ટિ છે અને બીજી જ્ઞાનદ્રષ્ટિ છે, એનાથી જોતા આવડ્યું તો કામ નીકળી જાય ને ! આ ચામડાની આંખથી તો એવું દેખાય કે ‘આ મારા સસરા થાય, આ મારા મામા થાય, આ ફૂઆ થાય.’ એ બધી વાત ખરી હશે ? આ ‘કરેક્ટ’ છે વાત બધી ? કાયમનો સસરો હોય છે કોઈ ? જ્યાં સુધી ‘ડાઈવોર્સ’ ના લીધો હોય ત્યાં સુધી સસરો, ‘ડાઈવોર્સ’ લે તેને બીજે દહાડે એ સંબંધ ખલાસ થઈ જાય ને ! એટલે આ બધા ‘ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ’ છે ! બાકી દ્રષ્ટિ તો ‘જ્ઞાની પુરુષ’ બદલી આપે.

પ્રશ્નકર્તા : બહિર્મુખ દ્રષ્ટિથી અંતર્મુખ દ્રષ્ટિ કરી આપે.

દાદાશ્રી : ના, એવી અંતર્મુખ દ્રષ્ટિ નહીં. અત્યારે તમારી દ્રષ્ટિ તો બધી અંદરનીય છે જ. પણ તમને દ્રષ્ટિ બદલી આપીએ; તે બહાર પણ પછી (બધા જીવોમાં) આત્મા દેખાય. અંદર છે એવું બહારેય આત્મા નથી ? પણ એ દ્રષ્ટિ તમને બદલી આપીએ ! બાકી અમને તો એક મિનિટેય આ સંસાર યાદ નથી આવતો.

પ્રશ્નકર્તા : અમને એક મિનિટેય સંસાર ભૂલાતો નથી.

દાદાશ્રી : એટલે આખી ‘ડિઝાઈન’ ફેર છે. આખી દ્રષ્ટિ જ ફેર છે, બીજું કશું જ નથી. તમે આ જોઈ રહ્યા છો, હું બીજી બાજુ આમ જોઈ રહ્યો છું. આખી દ્રષ્ટિ જ ફેર છે. આમાં બીજો કશો પ્રયત્ન કરવાનો નથી. જો કોઈ દ્રષ્ટિ બદલી આપે ને, તો તમને પણ બધું એવું જ દેખાય પછી!

એ દ્રષ્ટિ એક ફેરો બદલાય પછી એ દ્રષ્ટિ ખીલે ને તેમ તેમ ‘પોતે’ ‘ભગવાન’ થતો જાય.

પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા અને મહાત્મામાં ફેર શો ?

દાદાશ્રી : શુદ્ધાત્મા તો ભગવાન છે. મહાત્મા તો, આ કોઈ પણ બીજા કરતાં જરા ટોપ (ચડિયાતો) હોય તો એને મહાત્મા કહેવાય છે. આ તો વ્યવહારથી આપણે ‘મહાત્મા’ કહીએ છીએ, પણ છે તો ‘શુદ્ધાત્મા.’ શુદ્ધાત્મા તો ભગવાન છે, પણ એ ભગવાન હજુ તમને પ્રતીતિ સ્વરૂપે થયેલા છે. એ પ્રતીતિ જ્યારે પૂરી થશે, ત્યારે અનુભવ દશા સંપૂર્ણ થશે. અત્યારે પ્રતીતિ-લક્ષ-અનુભવ એ

(પા.૧૯)

ચઢ-ઉતર થયા કરે, પણ જ્યારે સંપૂર્ણ અનુભવ વર્તે, અભેદતા લાગે બધા જોડે, ત્યારે છે તે શુદ્ધાત્મા થઈ શકે. શુદ્ધાત્મા એ જ પરમાત્મા છે.

શુદ્ધાત્મા પદે બન્યા વીતદ્વેષ

આ જીવ શાનાથી બંધાયો છે ? અજ્ઞાનથી. તો છૂટે શાનાથી ? જેનાથી બંધાયો છે તેના પ્રતિપક્ષીથી એટલે કે જ્ઞાનથી.

‘હું ચંદુલાલ છું’ એ જ આરોપિત જગ્યાએ રાગ છે અને બીજી જગ્યાએ દ્વેષ છે, એટલે કે સ્વરૂપમાં દ્વેષ છે. એક બાજુ રાગ હોય તો તેની સામી બાજુએ, સામે ખૂણે દ્વેષ હોય જ. અમે સ્વરૂપનું ભાન કરાવીએ, શુદ્ધાત્માનું લક્ષ બેસાડીએ એટલે તે જ ક્ષણે તે ‘વીતદ્વેષ’માં આવ્યો અને જેમ જેમ આગળ વધ્યો તેમ તેમ વીતરાગ થતો જાય. વીતરાગ એટલે મૂળ જગ્યાનું, સ્વરૂપનું જ્ઞાન-દર્શન તે. અમે તમને આખું કેવળ જ્ઞાન અને કેવળ દર્શન આપીએ છીએ. તે તમને સંપૂર્ણ કેવળ દર્શન ઉત્પન્ન થાય છે અને કેવળજ્ઞાન ત્રણસો સાઈઠ ડીગ્રીનું સંપૂર્ણ નથી પચતું, કાળને લીધે. અરે, અમને જ ચાર ડીગ્રીનું અજીર્ણ થયું ને ! અમે આપીએ છીએ ત્રણસો સાઈઠ ડીગ્રીનું કેવળ જ્ઞાન પણ તે તમને પચશે નહીં. તે તમે અંશ કેવળ જ્ઞાની કહેવાઓ ! ભ્રાંતિથી ભ્રાંતિને કાપવી એમ ક્રમિક માર્ગમાં કહ્યું છે. દા.ત. કપડું મેલું હોય તો તેનો મેલ કાઢવા સાબુ જોઈએ. હવે તે સાબુ એનો મેલ મૂકતો જાય. તે સાબુનો મેલ કાઢવા વળી ટીનોપોલ જોઈએ. તે ટીનોપોલ સાબુનો મેલ કાઢે ને પાછો તે પોતાનો મેલ મૂકતો જાય. આમ ઠેઠ સુધી જે જે સાધનો વાપરે, તે તે તેનો મેલ મૂકતા જાય. નિર્મળ ક્યારેય ના થાય. એ તો નિર્મળ એવા જ્ઞાની પુરુષનો ભેટો થાય ત્યારે જ નિર્મળ થાય. જ્ઞાની પુરુષ જે પોતે સંપૂર્ણ નિર્મળ થયા હોય, શુદ્ધ થયા હોય, તે જ તમારા એક-એક પરમાણુને છૂટા પાડી તમારા પાપોને ભસ્મીભૂત કરીને કેવળ શુદ્ધાત્મા તમારા હાથમાં આપે ત્યારે ઉકેલ આવે, ત્યારે જ મોક્ષ થાય. નહીં તો અનંત અવતાર લૂગડું ધો ધો કરવાનું અને જેનો સાબુ ધોવા લીધો તેનો મેલ ચોંટતો જાય.

જ્ઞાની થકી શુદ્ધાત્મા થાય ગ્રહણ

મનુષ્યદેહ સિવાય બીજો કોઈ એવો દેહ નથી કે જે મોક્ષનો અધિકારી હોય. મનુષ્યદેહ મળે અને મોક્ષપ્રાપ્તિના સંયોગો મળે, સાધનો મળે તો કામ થઈ જાય.

શુદ્ધ સંયોગ ભેગો થાય ત્યારે જ મોક્ષ પ્રાપ્ત થાય. જ્ઞાની પુરુષનો સત્સંગ એટલો જ શુદ્ધ સંયોગ છે. કારણ કે જ્ઞાની પુરુષ માટે શું લખાયું છે?

‘શુદ્ધાત્મા મૂળ ઉપાદાની, અહમ્-મમતના અપાદાની;

મૂળ નિમિત્ત શુદ્ધ સંયોગી, છોડાવ્યો ભવ સંસારે,

વંદુ કૃપાળુ જ્ઞાનીને...’

જ્ઞાની પુરુષનો જ એક એવો સંયોગ છે, મૂળ નિમિત્ત છે કે જે ‘શુદ્ધાત્મા’નું ઉપાદાન કરાવે અને અહંકાર ને મમતાનું, ‘હું’ અને ‘મારું’નું અપાદાન કરાવે. બીજા શબ્દોમાં શુદ્ધાત્માને ગ્રહણ કરાવડાવે અને અહંકાર ને મમતાનો ત્યાગ કરાવડાવે. માટે તેમને મૂળ નિમિત્ત અને એકમાત્ર મોક્ષપ્રાપ્તિના શુદ્ધ સંયોગી કહ્યા છે.

જ્યારે આત્મા અને સંયોગોને તો જ્ઞાતા-જ્ઞેયનો સંબંધ છે. આત્માને તો બધાનો સંયોગ સંબંધ માત્ર જ છે. ‘શુદ્ધાત્મા’ પોતે અસંયોગી છે અને તે સિવાયનું બીજું બધું જ સંયોગ સંબંધ છે. સંયોગો-વિયોગો એ તો જ્ઞેય છે અને ‘તું પોતે’ જ્ઞાતા છે પણ જ્ઞાતા જ્ઞેયાકાર થઈ જાય છે, તેથી તો અનંત ભવ રખડ્યો છે. પાંચ કરણથી જે દેખાય છે, અનુભવાય છે, તે સ્થૂળ સંયોગો અને અંતઃકરણના સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો, એ બધાય સંયોગો સાથે આત્માને સંયોગ સંબંધ માત્ર છે, સગાઈ સંબંધ નથી. જ્ઞાતા-જ્ઞેયનો સંયોગ સંબંધ માત્ર છે. જો જ્ઞાતા-જ્ઞેયના સંયોગ સંબંધ

(પા.૨૦)

માત્રમાં જ રહે તો એ અબંધ જ છે.

‘વસ્તુત્વ’નો સિદ્ધાંત

‘જ્ઞાની પુરુષ’ તો ભાન કરાવશે કે ‘જગત’ને ‘તું’ અડ્યો છે, નહિ તો વસ્તુ કોઈ ‘તને’ અડે એવી નથી. ત્યારે એ કહે, ‘મારે કંઈ જરૂર નથી?’ ત્યારે કહીએ, ‘ના, તારે કંઈ જરૂર જ નથી. તને જગતમાં અવલંબનની જરૂર જ નથી.’ ત્યાર પછી ‘એ’ ભાનમાં આવે ને ત્યારે એ કહેશે, ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું.’ પછી મહીં ચિંતા-ઉકળાટ કશું જ ના રહે. ચિંતા-ઉકળાટ એ તો બધું ‘પરવસ્તુ’માં થાય છે અને ‘પોતે’ માથે લઈ લે છે કે ‘મને આમ થાય છે.’ અરે, આ ‘તારું’ નથી અને પેલા બીજાને ઘેર ત્યાં થાય છે. ‘તને’ ક્યાં કશું થાય છે ? થાય છે પાડોશીને ઘેર, ત્યાં આપણે શું ? અને ‘આત્મા’ને કંઈ થાય જ નહિ ને! પણ આ તો અનાદિની ભ્રાંતિ ‘એને’ આ વાત બધી વિસારે પાડી દે છે.

શુદ્ધાત્મા ના દેખાય એ પ્રમાદ

‘હું શુદ્ધાત્મા છું’ બોલાય ક્યારે ? આ જ્ઞાન સહિત મહીં પરિવર્તન થયા કરતું હોય, એ સમજાય આપણને. અને જ્ઞાની પુરુષનું આપેલું લક્ષ પોતાને બેઠું હોય. અને લક્ષ બેઠા પછી ભૂલાય નહીં. તમે રાતે જાગો તો એની મેળે આવીને ઊભું રહે. એટલે એ ભૂલાય નહીં, નિરંતર જાય નહીં. એક વખત વસ્તુ હાજર થઈ ગઈ પછી ગેરહાજર ના થાય, તેવું આ અલખ નિરંજનનું છે.

શુદ્ધાત્માનું લક્ષ બેસી ગયું ને તમને ? બસ, આપણું સ્વરૂપનું લક્ષ એ નિજ સ્વરૂપનું લક્ષ, એ અલખ ભગવાન છે, અલખ નિરંજન !

એ લક્ષ અલખ નિરંજનનું લક્ષ કહેવાય છે. હવે અમારા પાંચ વાક્યોમાં જ, પાંચ આજ્ઞામાં જ રહેવાનું, બીજું કશું અઘરું છે નહીં. હવે ચૂકશો નહીં. ફરી ફરી આવો તાલ નથી બેસે એવો. સાક્ષાત્કાર થઈ ગયો, બધું જ થઈ ગયું છે. હવે ભગવાન તમારી પાસેથી જાય નહીં. ચિંતા-બિંતા કશું થાય નહીં ને હવે ? મહીં ઠંડક વર્તે છે ને ? હા, હજુ તો ઓર વધશે એ ઠંડક અને હજુ તો બે કલાક વાંચશે ને, તો આઠ કલાક જેટલું ફળ મળે એટલું બધું દર્શન ઊંચું જશે.

અહીં સત્સંગમાં બેસીને જે કંઈ ફેરફાર પડતો લાગતો હોય તે વિગતવાર સમજી લેવો જોઈએ, એ જ પુરુષાર્થ છે. ‘જ્ઞાન’ પોઈન્ટ ટુ પોઈન્ટ ધીમે ધીમે સમજી લેવું જોઈએ. સત્સંગ કરતાં સહુથી સહેલો રસ્તો એ કે ‘દાદા’ને રાજી રાખવા તે.

‘અમારો’ સંગ ના મળે તો અમારા વાક્યોનો સંગ તે બધો સત્સંગ જ છે. સત્સંગ એટલે શુદ્ધાત્માના રિલેટિવનો સંગ, બીજા કોઈનો સંગ કરવા જેવો નથી; પછી તે સાધુ હોય, સંન્યાસી હોય કે ગમે તે હોય. આપણે તો મહીં માલ જોઈ લેવાનો, પછી બીજું કશું જ આંખોને અડવા દેવા જેવું નથી. શુદ્ધાત્મા ગાય-ભેંસમાં છે એની ખાતરી થયા પછી દેખાવા જ જોઈએ ને ? પછી ના દેખાય એ પ્રમાદ કહેવાય.

આ તો સરળ માર્ગ કો’ક ફેરો મળી જાય. બહુ પુણ્યનો પ્રતાપ હોય તો મળે ત્યારે ત્યાં આગળ પ્રમાદ સેવેલો કામનો નહીં.

પ્રશ્નકર્તા : પ્રમાદ કરવાનો નહીં.

દાદાશ્રી : હા, એ તો ચોંટી જ પડવું. ફરી આવો તાલ ખાતો નથી. શુદ્ધાત્મા કોઈ દહાડો લક્ષમાં બેસે નહીં. એ અલખ નિરંજન છે. કોઈને લક્ષ બેઠેલું જ નહીં અને લક્ષ બેસે તો કામ થયા વગર રહેય નહીં.

શુદ્ધાત્મા ભાને થયો સર્વભાવથી અસંગ

પ્રશ્નકર્તા : શ્રીમદ્જી કહે છે, ‘સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે.’

(પા.૨૧)

દાદાશ્રી : હવે તમે સર્વભાવથી અસંગ થયા છો. કોઈ પણ ભાવ તમને રહ્યો નહીં. ભાવ હોય ત્યાં અભાવ હોય. એકલો ભાવ હોય નહીં. ભાવ એટલે રાગ અને અભાવ એટલે દ્વેષ. તમને કશાના ભાવ-અભાવ છે ? તમે જો ચંદુભાઈ હોય તો ભાવ આવે પણ તમે શુદ્ધાત્મા થયા, તે ભાવ જ ક્યાં રહ્યો ? સ્વભાવ રહ્યો. આ ભાવ તો વિભાવ છે, વિશેષભાવ. સર્વભાવથી અસંગપણું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે, પણ દુષ્કરમાં દુષ્કર સાધન તમે કરીને બેઠા હવે. તમને નથી લાગતું ? મન-બુદ્ધિ કબૂલ કરે છે, પછી વાંધો શો તમને? આપણા દેશની પાર્લામેન્ટ મંજૂર કરે, પછી હવે એથી વધારે શું?

હવે તમને તો અસંગ જ બનાવ્યા છે, ત્યારે તમે પાછા અડી આવો છો એને જઈને આમ. શું કરવા અડવાની જરૂર ? છતાંય તમને કર્મ નહીં બંધાય, એવું આ વિજ્ઞાન છે ! પાછું અડી આવો તો તમને મૂંઝામણ થાય એટલું જ, એટલો ટાઈમ તમારું સુખ જતું રહે એટલું જ, બીજું કંઈ તમને વાંધો નહીં આવે.

પ્રશ્નકર્તા : એ પેલું અડી આવીએ છીએ ને, એનાથી સુખ જતું રહે છે.

દાદાશ્રી : હા, એ તો પણ કટેવ પડેલી જાય નહીં ને હવે ! આપણે પ્રતિક્રમણ કરવું. ‘ચંદુભાઈ, પ્રતિક્રમણ કરો’ કહીએ. આ તો બહુ સુંદર-સરળ માર્ગ છે ! તે મોક્ષ હાથમાં આવી ગયેલો છે !

તમે તો ભગવાન મહાવીર જેવા થયા છો. જો તમને રહેતા આવડે તો તમે મહાવીર છો. તમને તો નિર્લેપ, અસંગ મહાવીર જેવા બનાવ્યા છે, પણ રહેતા આવડવું જોઈએ. આવી વસ્તુ જો પ્રાપ્ત કર્યા પછી વાપરતા ના આવડે તો આપણું ઓવરવાઈઝપણું (દોઢ ડહાપણ) છે.

અનુભવ પૂર્ણ થશે, અવ્યાબાધના અનુભવે

આ જ્ઞાન મળ્યા પછી માણસ શ્રેણી માંડી શકે, નહીં તો શ્રેણી જ માંડી શકે નહીં ને ! આ આખા સંસારસમુદ્રમાં ‘હું શુદ્ધાત્મા છું’ કહ્યું, એટલો એનો એક પગ નીચે પડ્યો. સમુદ્રમાં એક પગ નીચે ગોઠવાયો. તે આપણે શુદ્ધાત્મા, આ જ્ઞાનના લક્ષવાળા. આ બહાર શુદ્ધાત્મા બોલે તો પગ નીચે ગોઠવાયો નથી. આ તો આખા સંસારસમુદ્રમાં પગ જ કોઈ જગ્યાએ ગોઠવાય નહીં, એટલી ઊંડાઈ જ નહોતી આવતી. જ્યાં પગ નીચે ગોઠવવા જાય તો પાણી, પાણી ને પાણી ! હવે આ પગ ગોઠવાયો, શ્રેણી મંડાઈ. પગ ગોઠવાય એટલે થાક્યા હોય તોયે મનમાં હાશ રહે. એક પગે ઊભા રહે, પછી ધીમે ધીમે બીજો પગ ગોઠવીએ પણ એક ગોઠવાવો જોઈએ. તે આ પગ ગોઠવાયો એટલે પુરુષાર્થ ચાલુ થયો, નહીં તો પુરુષાર્થ પોતાના હાથમાં જ નહીં ને ! થાકી ગયા એટલે ડૂબી ગયે જ છૂટકો ! પણ તે આ દરિયો ડૂબાડી દેશે, પાછો આ (સંસારરૂપી) દરિયો ડૂબાડતોય નથી. મૂઆ, પાર વગરનો થાક લાગે તોય ડૂબાડે નહીં. આપણે કહીએ, ‘ડૂબી જવાનો... ?’ ત્યારે કહે, ‘ના, ડૂબી મરવાનો નહીં, થાકમાં ને થાકમાં ફર્યા કરો.’ તે આ એક પગ મૂક્યો કે શ્રેણી માંડે પછી. શ્રેણી એટલે અનુભવના સ્ટેપિંગ (પગથિયા) બધા. પહેલો અનુભવ, બીજો અનુભવ, ત્રીજો અનુભવ એમ કરતા કરતા જ્યારે આત્માના અવ્યાબાધ સ્વરૂપનો અનુભવ, અમને જેવો અવ્યાબાધ સ્વરૂપનો અનુભવ હોય તેવો થાય ત્યારે એ અનુભવ ઊંચામાં ઊંચો થઈ ગયો કહેવાય. આ કાળમાં જ્યાં સુધી પહોંચે છે, ત્યાં સુધીનો અનુભવ થયો કહેવાય, અવ્યાબાધ સ્વરૂપનો. સૂક્ષ્મભાવની અનુભવ શ્રેણી ક્યારે પૂર્ણ થાય કે જ્યારે ‘હું અવ્યાબાધ સ્વરૂપ છું’ એમ થઈ જાય ત્યારે.

‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષમાં બેઠું, ત્યારથી

(પા.૨૨)

અનુભવશ્રેણીઓ શરૂ થઈ જાય. જીવડું પગ નીચે વટાઈ ગયું તો ‘એને’ શંકા પડે, નિઃશંકતા ના રહી શકે. માટે ત્યાં સુધી ‘ચંદુલાલ’ પાસે ‘તમારે’ પ્રતિક્રમણ કરાવવું પડે કે ‘ચંદુલાલ, તમે જીવડું વાટ્યું માટે પ્રતિક્રમણ કરો.’ એમ કરતાં કરતાં સૂક્ષ્મ ભાવની અનુભવશ્રેણી પ્રાપ્ત થશે અને પોતાનું સ્વરૂપ અવ્યાબાધ સ્વરૂપ છે એમ લાગશે, દેખાશે ને અનુભવમાં આવશે. ત્યાર પછી શંકા નહીં પડે. ત્યાં સુધી તો જપ આત્મા, તપ આત્મા, ત્યાગ આત્મા, સત્ય આત્મામાં હોય છે, એ શુદ્ધાત્મામાં નથી. એ શ્રેણી ના કહેવાય. એટલે એ માણસ મોક્ષે જશે કે કઈ બાજુ જશે એ કહેવાય નહીં. શુદ્ધાત્માનું લક્ષ બેઠા પછી શ્રેણી મંડાય. ત્યાર પછી પોતાનું સ્વરૂપ અવ્યાબાધ છે, સૂક્ષ્મ છે, અમૂર્ત છે એ અનુભવમાં આવતું જાય.

‘લક્ષ’ પ્રતિ પુરુષાર્થ

આપણા લક્ષમાં રહેવું જોઈએ. ‘અમુક તારીખે મુંબઈ જવું છે’ તે આપણા લક્ષમાં રહે, એવી રીતે ‘આપણે મોક્ષમાં જવું છે’ એ લક્ષમાં રહેવું જોઈએ. ક્યાં જવું છે એ લક્ષમાં ના રહે તો કામનું શું ? મુંબઈ જવું છે, એ લક્ષમાં રહે ને ? ભૂલી જવાય ?

પ્રશ્નકર્તા : ના ભૂલાય.

દાદાશ્રી : એવું આ લક્ષમાં રહેવું જોઈએ. આપણે તો હવે એ બાજુ જવા નીકળ્યા. વહેલું આવે, મોડું આવે, પણ એ બાજુ જવા નીકળ્યા. જેટલું જોર કરીએ એટલું આપણા બાપનું. દાદા ભેગા થયા તો પ્લેનની પેઠ ચાલે, નહીં તો સૂક્ષ્મ દાદા હોય તોય ટ્રેઈનની માફક તો ચાલે જ. આ જાતે રૂબરૂ ભેગા થાય તો પ્લેનની માફક ચાલે ને પેલું ટ્રેઈનની માફક ચાલે. તે જેટલું પ્લેનથી જવાય એટલું સાચું.

પ્રશ્નકર્તા : બધા પ્લેનવાળા જ શોધે.

દાદાશ્રી : હા.

શુદ્ધાત્માનું લક્ષ પહોંચાડે મહાવિદેહ ક્ષેત્રે

જેને અહીં શુદ્ધાત્માનું લક્ષ બેઠું હોય તે અહીં આગળ ભરત ક્ષેત્રમાં રહી શકે જ નહીં. જેને આત્માનું લક્ષ બેઠેલું હોય, તે મહાવિદેહમાં જ પહોંચી જાય એવો નિયમ છે. અહીં આ દુષમકાળમાં રહી શકે જ નહીં. આ શુદ્ધાત્માનું લક્ષ બેઠું તે મહાવિદેહ ક્ષેત્રમાં એક અવતાર કે બે અવતાર કરી, તીર્થંકરના દર્શન કરીને મોક્ષે ચાલ્યો જાય. એવો સહેલો-સરળ માર્ગ છે આ ! અમારી આજ્ઞામાં રહેજો. આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. હવે સમભાવે નિકાલ કરવાનો હોય. એ બધી જે આજ્ઞાઓ કહી છે એમાં જેટલું રહેવાય એટલું તું રહે. પૂરેપૂરું રહે તો ભગવાન મહાવીર જેવું રહી શકે ! આ રિયલ ને રિલેટિવ તમે જોતા જોતા જાવ, તે તમારું ચિત્ત બીજી જગ્યાએ ના જાય.

‘હું શુદ્ધાત્મા છું’ એવો નિર્ણય થવો, એનું નામ જ આત્માનો અનુભવ. એ આત્મઅનુભવ થવો એ કંઈ જેવી તેવી વાત છે ? આ તમને ‘શુદ્ધાત્મા’ ‘અમે’ આપ્યો છે તે ‘ફર્સ્ટ સ્ટેપ’ (પહેલું પગથિયું) છે. એની આગળ તો ઘણું છે. પછી શુદ્ધાત્માનું સ્વરૂપ એના ગુણ સાથે પ્રગટ થાય !

જય સચ્ચિદાનંદ