છેલ્લામાં છેલ્લું વિજ્ઞાન - ‘હું, બાવો, મંગળદાસ’

સંપાદકીય

આત્મજ્ઞાન થયા પછી મહાત્માઓને ડગલે ને પગલે આ ગૂંચવાડો ઊભો થઈ જાય છે કે મારે તો સો ટકા આત્મામાં જ રહેવું છે, અકર્તા પદમાં જ રહેવું છે. છતાં એવી ગુલાંટ ખવાઈ જાય છે કે કંઈ સારું થાય તો, ‘મેં કર્યું’ ને બગડે તો ‘સામાએ કર્યું’ એ થઈ જાય છે. ‘હું શુદ્ધાત્મા જ છું’ એને તો આવું ના જ થાય. તો થાય છે કોને ? આ તન્મયાકાર કોણ થઈ જાય છે ? મન-વચન-કાયા તો મિકેનિકલ છે એય અનુભવમાં આવે છે અને આત્મા તો આવું કરાવે જ નહીં. આ રહસ્ય નહીં સમજાવાથી પ્રગતિ અટકે ને મહીં હતાશ થઈ જવાય. શુદ્ધાત્મા અને આ મિકેનિકલી કામ કરતાં મન-વચન-કાયાની વચ્ચે કંઈક ફોર્સ છે, એ શું છે ? કઈ રીતે કામ કરે છે ? એનું સ્વરૂપ શું છે ? એ તમામ પ્રશ્નોનો એક્ઝેક્ટ ફોડ પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી)ના ગુહ્યતમ જ્ઞાન ‘હું બાવો ને મંગળદાસ’થી પ્રાપ્ત થાય છે.

હું એટલે શુદ્ધાત્મા, મૂળ પરમાત્મા, ૩૬૦ ડિગ્રીના ! બાવો એ વચ્ચેનો અંતરાત્મા ને મંગળદાસ એ ચંદુભાઈ, મન-વચન-કાયા ! જે મિકેનિકલ ભાગ છે શરીરનો તે. સ્થૂળ શરીર, તે બધું જ મંગળદાસમાં જાય. જે પૂરણ-ગલન થાય છે, તે બધો ભાગ મંગળદાસમાં જાય. હવે બાવો એટલે શું ? પોતે ઘડીકમાં કહે, હું ચંદુ છું. પછી કહે, હું આ બાબાનો પપ્પો છું. આનો ધણી, આનો બૉસ એમ જુદા જુદા વિશેષણો સાથે બદલાયા કરે તે બાવો. ક્રોધ-માન-માયા-લોભ એ પણ બાવાના. ટૂંકમાં સ્થૂળ ભાગ મંગળદાસનો, સૂક્ષ્મ ભાગ અને કારણ ભાગ બાવાના અને ‘હું’ શુદ્ધાત્મા, આટલામાં આખું અક્રમ વિજ્ઞાન આવી જાય છે.

બાવાને ઓગાળવા હવે શું કરવું ? બાવાના પક્ષમાં ના બેસીએ તો તેનો વંશ વધવાનો જ નથી. કોઈ અપમાન કરે ત્યારે પોતાનું ઉપરાણું ના લે તો બાવો ખતમ થાય. હવે જેમ જેમ ફાઈલોનો સમભાવે નિકાલ થતો જાય તેમ બાવો ઓગળતો જાય. પોતાના દોષ દેખાશે ત્યારથી બાવો જવાનો. બાવાની પોતાની ઈફેક્ટો જ્ઞાને કરીને ભોગવાઈ જાય એટલે બાવો ‘હું’માં આવતો જાય. ‘હું’ બાવાને રિયાલિટી સમજાવે, તેના આધારે બાવો ‘હું’માં આવતો જાય. ‘હું’ પ્રજ્ઞા સ્વરૂપે બાવાને સમજણ પાડે છે.

દાદાશ્રીના હૃદયની વર્ષોની વ્યથા હતી કે કઈ રીતે આ ગુહ્યતમ જ્ઞાન બધાને સમજાવું ? તે પ્રથમવાર ૧૯૮૭માં અમેરિકામાં ‘હું, બાવો ને મંગળદાસ’નું રહસ્ય ખુલ્લું કર્યું હતું અને બોલેલા કે આ છેલ્લામાં છેલ્લું જ્ઞાન હું તમને આપી દઉં છું. હવે આનાથી આગળ કશું જ જાણવાનું રહેતું નથી. આત્મા તો શુદ્ધ જ છે. હવે બાવો શુદ્ધ થતો જશે તેમ તેમ વિજ્ઞાન પ્રગટ થતું જશે ! મહાત્માઓને આ વિજ્ઞાન દ્વારા પોતાનું સ્વપદ સ્પષ્ટ અનુભવમાં આવે એ જ હૃદયની અભ્યર્થના.

~ જય સચ્ચિદાનંદ.

છેલ્લામાં છેલ્લું વિજ્ઞાન - ‘હું, બાવો, મંગળદાસ’

(પા.૪)

મારે છૂટવું છે, એ પૂછનારો કોણ ?

પ્રશ્નકર્તા : મોક્ષે કોને જવાનું ?

દાદાશ્રી : જે બંધાયેલો છે તેને, જેને દુઃખ થાય છે તેને.

પ્રશ્નકર્તા : એટલે પુદ્ગલને ?

દાદાશ્રી : જે પૂછે છે તેને. જેને છૂટવું છે તે. હવે કોને છૂટવું છે? તમારે છૂટવું છે?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તમે તો તમારી જાતને માની બેઠા હતા કે ‘હું ચંદુભાઈ છું.’ ખોટું નીકળ્યું ને બધું ?

તમે પહેલાં માનતા હતા કે ‘હું ચંદુભાઈ છું.’ એ જે તમે છો, તે છૂટવા માંગે છે. પૂછનારને જ છૂટવું છે. કોને છૂટવું છે? પૈણનારો ‘કોને પૈણવું છે ?’ એમ કહે ત્યારે લોક શું કહે, ‘તારે જ પૈણવાનું છે ને!’ તમારી જાતને જે તમે માનતા હોય ને, તેને છૂટવું છે. અને અહંકારને છૂટવું હોય તો તું કોણ ? પૂછનારું કોણ ? પૂછતી વખતે એવું ના બોલાય. એમ ને એમ વાત કરવી હોય તો એમ થાય કે ‘ભઈ, અહંકારને છૂટવું છે હવે.’ પૂછતી વખતે ભ્રમ થાય. શુદ્ધાત્મા તો બંધાયેલો છે જ નહીં ને ! જે બંધાયેલો છે, તે છૂટવા માટે આ ફાંફા મારે છે બધા.

પ્રશ્નકર્તા : એટલે અહંકાર બંધાયેલો છે ?

દાદાશ્રી : ત્યારે બીજું કોણ ? અહંકાર એ ચંદુભાઈ, અહંકાર એ પ્રતિષ્ઠિત આત્મા, જે ગણો તે. એ બંધાયેલો છે. દુઃખેય એને જ છે ને! જેને દુઃખ છે એ મોક્ષમાં જવા માટે ફાંફા મારી રહ્યો છે. દુઃખથી મુક્ત થવું એ મોક્ષ. એ જ બધું, બીજું કોઈ નહીં. આ બધું રિલેટિવ એને છે.

દુઃખ જેને પડતું હોય તે સુખ ખોળે. બંધાયેલો હોય તે છૂટો થવા ફરે છે. આ બધું બંધાયેલા માટે છે. આમાં શુદ્ધાત્મા માટે કશું નથી.

પ્રશ્નકર્તા : દાદા, જો ચંદુભાઈને છૂટવું હોય અને ચંદુભાઈ બોલતો હોય, તો ‘હું શુદ્ધાત્મા છું’ એ વાક્ય કેવી રીતના આવે, દાદા ?

દાદાશ્રી : એય બોલાય જ ને !

પ્રશ્નકર્તા : તો ચંદુભાઈ કેવી રીતના બોલી શકે ‘હું શુદ્ધાત્મા છું’ એમ?

દાદાશ્રી : બોલે જ છે ને ! પણ એ તો ટેપરેકર્ડ છે ને ! એ ચંદુભાઈ હતો તે દહાડાની વાત છે ને ! અને આપણે અત્યારે તો ‘હું’ ‘આ’ થયા છે. રિયલી સ્પિકિંગ ‘હું શુદ્ધાત્મા છું’, રિલેટિવ સ્પિકિંગ ‘ચંદુભાઈ’, એમાં વાંધો શું છે ? કયા વ્યુ પોઈન્ટથી હું આ બોલું છું ?

પ્રશ્નકર્તા : એટલે આમાં બેઉ વ્યુપોઈન્ટ (દ્રષ્ટિબિંદુ) આવે છે ?

દાદાશ્રી : વ્યુપોઈન્ટ બધાય. કેટલા બધા વ્યુપોઈન્ટ છે ! પણ આમાં બે મુખ્ય છે. વ્યુપોઈન્ટ તો ત્રણસો સાંઠ ડિગ્રીના, આ ડિગ્રીએ હું આનો સસરો થઉં, આ ડિગ્રીએ આનો ફાધર થઉં, આ ડિગ્રીએ આનો મામો થઉં.

આટલો ફેર, જ્ઞાની ને ભગવાનમાં

પ્રશ્નકર્તા : આપ કહો છો ખરા કે અમને ત્રણસોને છપ્પન ડિગ્રીનું જ્ઞાન છે, પરંતુ અમે તમને લોકોને તો ત્રણસો સાઠ ડિગ્રીનું આપી દીધું છે, એનો શું અર્થ?

દાદાશ્રી : એનો અર્થ એટલો કે ત્રણસો સાઠનું મને હતું, પણ પચ્યું નહીં મને અને ત્રણસો છપ્પન

(પા.૫)

ઉપર આવીને કાંટો ઊભો રહ્યો પાછો. તમને તે ત્રણસોને સાઠ આપ્યું, પણ પચ્યું નથી, તે ત્રણસોને દસ ઉપર છે હજુ, કોઈને ત્રણસો વીસ ઉપર આવી ગયું, પણ ત્રણસોની ઉપર છે બધું. અને હતા બસો ઉપર. સો-એકસો દસ એકદમ ઓળંગ્યા છે ! આ ચોખ્ખા માણસ હતા તેથી આ મળ્યું, નહીં તો દાદા ભગવાન ક્યાંથી ભેગા થાય તે !

પ્રશ્નકર્તા : પણ દાદા, જ્ઞાની અને ભગવાનમાં શું ફેર છે ?

દાદાશ્રી : જ્ઞાનીમાં અને ભગવાનમાં એટલો ફેર કે જ્ઞાની સમજી શકે, બધુંય જોઈ શકે, જાણી શકે નહીં. આ જે દેખાય છે ને, એ તો ભાદરણના પટેલ છે ને હું તો જ્ઞાની પુરુષ છું અને દાદા ભગવાન જુદા છે, એ તો પરમાત્મા જ છે ! ચૌદ લોકનો નાથ છે.

મારે ત્રણસો સાઠ ડિગ્રી પૂરી ના થઈ ને ત્રણસો છપ્પને ઊભું રહ્યું. તેથી અંદર જે પ્રગટ થયા છે તે ભગવાનને ને મારે માટે જુદાપણું રહ્યું છે. અને જો મને આ ત્રણસો સાઠ થયું હોત ને, તો અમે બન્ને એકાકાર થઈ જાત. પણ આ હવે જુદાપણું રહ્યું છે. કારણ કે આ આટલું નિમિત્ત હશે ને, આ લોકોનું કાર્ય કરવાનું, એટલે જુદાપણું રહ્યું છે. એટલે જેટલો કાળ અમે ભગવાન જોડે ભેગા રહીએ, અભેદભાવ હોય, એટલો કાળ સંપૂર્ણ સ્વરૂપ હોઈએ અને વાણી બોલીએ ત્યારે જુદું પડી જાય.

ઓળખ, ‘હું, બાવો ને મંગળદાસ’ તણી

પ્રશ્નકર્તા : અહીં જરા કન્ફ્યુઝન થયું (ગૂંચવાડો) છે કે ત્રણસો સાઠ ડિગ્રી તે દાદા ભગવાન છે અને ત્રણસો છપ્પન ડિગ્રીએ અંબાલાલ ?

દાદાશ્રી : હા, દાદા ભગવાન અંદર છે, દાદા ભગવાન ત્રણસો સાંઠ, જે મૂળ ભગવાન છે તે ‘હું’. ‘આ’ દાદા ભગવાન નથી, આ તો અંબાલાલ પટેલ છે. અમે જ્ઞાની પુરુષ છીએ.

અમે જ્ઞાની. જ્ઞાની કેમ કહેવાય ? એંસી ટકા, નેવું ટકા, પંચાણું, નવ્વાણું ટકા સુધી જ્ઞાની અને સો ટકે પોતે.

આપણે એક દાખલો આપીએ. રાત્રે બાર વાગે કોઈક બહાર આવ્યું હોય, તો બારણું ખખડાવે. તો આપણે કહીએ ને કે ‘કોણ છે અત્યારે ભઈ, રાતે બાર વાગે ?’ ત્યારે કહે, ‘હું છું.’ ફરી આપણે કહીએ, ‘કોણ છે ભઈ, કહે ને !’ ત્યારે કહે, ‘હું છું, હું. મને ના ઓળખ્યો ?’ એવું કહે પાછો. ત્યારે આપણે કહીએ, ‘ના ભઈ, મને સમજણ નથી પડતી, કોણ છે ?’ ત્યારે કહે, ‘હું બાવો’. ‘પણ બાવા તો મારે પાંચ-સાત ઓળખાણવાળા છે. કયો બાવો મને સમજણ પડવી જોઈએ ને ? હા, પણ બાવો એટલે કોણ તું ?’ ત્યારે કહે, ‘હું બાવો મંગળદાસ.’ ત્યારે ઓળખીએ. ‘હું’ એકલું કહે તો ઓળખે નહીં.‘હું બાવો’ કહે તો કહે, ‘પેલો બાવો આવ્યો કે પેલો બાવો આવ્યો? બાવા તો ચાર-પાંચ છે.’ ત્યારે કહે, ‘હું બાવો મંગળદાસ.’ અને મંગળદાસ બે-ત્રણ હોય તો એમ કહેવું પડે કે ‘હું મંગળદાસ મહાદેવજીવાળો.’ ઓળખ જોઈએ ને ? એટલે ‘હું બાવો ને મંગળદાસ’ એમ ત્રણ બોલે, ત્યારે પેલો ઓળખે કે ‘હા, મંગળદાસ પેલો.’ એને આમ છબી (ફોટો) હઉ દેખાય. દેખાય કે ના દેખાય ? એટલે આવું કહીએ, ‘હું, બાવો ને મંગળદાસ’ ત્યારે ઓળખે મૂઓ. નહીં તો શી રીતે ઓળખે પેલો ? બારણું ઊઘાડે જ નહીં ને ! પોતાની ગેડમાં બેસાડવી પડે ને ઓળખ, કે કોણ છે એ ? એવું આ ‘હું’ને ઓળખે ને, તો ઉકેલ આવી ગયો. એવું આમાં ‘હું’ એ ‘આત્મા’ છે, આ ચંદુભાઈ એ મંગળદાસ અને બાવો એ અંતરાત્મા છે.

(પા.૬)

એટલે ‘હું ચંદુભાઈ છું, હું ચંદુભાઈ છું’ એ દેહભાગને તમે કહેતા હતા. ચંદુભાઈ તમે શી રીતે ? ચંદુભાઈ તમારું નામ નહીં ? ત્યારે તમે કહેશો, ‘મારું નામ છે.’ એ તો ભાઈ તારું નામ જુદું અને તું જુદો, નહીં? જુદો જ !

પ્રશ્નકર્તા : તો આ એ.એમ.પટેલ એ મંગળદાસ ?

દાદાશ્રી : એ.એમ.પટેલ એકલું નહીં, પણ જેટલું છે તે ડૉક્ટરો જોઈ શકે ને, કાપી કાપીને ઝીણામાં ઝીણું બધું જોઈ શકે, એ બધું છે તે મંગળદાસ. આ બધું મંગળદાસમાં આવે. એટલે આ શરીરમાં જે ફિઝિકલ ભાગ છે, એ બધું છે તે મંગળદાસ. મંગળદાસને તાબે કેટલું ? ત્યારે કહે, આટલું ફિઝિકલ (ભૌતિક). અને તે આપણા તાબામાં નથી પાછું. એટલે એનો છે તે સમભાવે નિકાલ કરવાનો છે. એની સ્થિતિ શું થશે એ બધું વ્યવસ્થિત છે. એટલે તમારે વ્યવસ્થિત સમજીને સમભાવે નિકાલ કરવો !

જ્ઞાન પછી ડ્રેસવાળા બાવાનો જન્મ

પ્રશ્નકર્તા : આપે જ્ઞાન આપ્યું ત્યારથી બાવો જન્મ્યો, ત્યાં સુધી તો ચંદુભાઈ જ હતો ?

દાદાશ્રી : હા, નહીં તો ત્યાં સુધી ચંદુભાઈ જ હતો. પછી બાવો થવા માંડ્યો. જેમ માણસ હોય બ્રાહ્મણ અને પરણવાનું ત્રીસ-ચાલીસ વર્ષ સુધી કશું ઠેકાણું ના પડે અને કોઈ જગ્યાએ મંદિરના મહંત તરીકે રાખ્યો અને બાવાજી કહેવાય ત્યારથી બાવો થયો. એટલે તમે ચંદુભાઈ જ હતા. હું ભેગો થયો, મેં કહ્યું તમને, ‘તમે શુદ્ધાત્મા છો.’ ત્યારથી એ બાવા થયા. લોકો પેલા મંદિરના બાવા થાય ને આપણે આમાં (આ અક્રમ વિજ્ઞાનમાં) બાવા થયા.

પ્રશ્નકર્તા : બરોબર. બસ હવે બાવાને કહ્યે રાખવાનું, ‘તું શુદ્ધાત્મા છે, તું શુદ્ધાત્મા છે.’ બાવાએ એ જ રટણ કરે રાખવાનું, એટલે ધીમે ધીમે ત્રણસો સાઠે એ પહોંચી જશે બાવો ?

દાદાશ્રી : ના, એવું રટણ રાખવાની જરૂર નહીં. આપણે ‘હું શુદ્ધાત્મા છું’ જ બોલવું. જ્યારે શુદ્ધાત્મા વર્તનમાં આવશે ત્યારે બાવાપણું છૂટી જશે. અને જ્યાં સુધી એ વર્તનમાં નથી આવ્યું માટે બાવા છીએ. શ્રદ્ધામાં ‘હું શુદ્ધાત્મા છું’ છે, વર્તનમાં નથી, માટે બાવો છે. એ વર્તન એક્ઝેક્ટ (જેમ છે તેમ) થઈ જશે એટલે પાછું શ્રદ્ધા-બદ્ધા બધું એક્ઝેક્ટમાં.

પ્રશ્નકર્તા : આપે એક વાર કહેલું કે બાવાનો જન્મ અમે જ્ઞાન આપીએ છીએ ત્યાર પછી જ થાય છે, ત્યાં સુધી બાવો નથી હોતો.

દાદાશ્રી : ના, બાવાનો જન્મ તો, ‘હું કર્તા છું’ અને મારે મારા કર્મ ભોગવવા પડશે, એવું જાણ્યું ત્યારથી જ એ બાવો થઈ ગયો. પણ બાવાને એક્ઝેક્ટ ડ્રેસ નહીં. એક્ઝેક્ટ ડ્રેસ તો, ‘હું શુદ્ધાત્મા છું’ એવું ભાન થાય ત્યારથી એ એક્ઝેક્ટ ડ્રેસમાં આવ્યો. ખરેખર બાવો અહીંથી કહેવાય, પેલો બાવો તો ગણાય જ. અને ‘ચંદુભાઈ છું, વિલિયમ છું, સુલેમાન છું,’ એ બધા મંગળદાસ. કારણ કે એ પોતે શું જાણે કે ‘ભગવાન કરે છે અને હું તો ચંદુભાઈ છું.’

પ્રશ્નકર્તા : દેહાધ્યાસ મને વર્તે છે, એનાથી છૂટવું છે, એવું એને ભાન થયું ત્યારથી એ બાવો.

દાદાશ્રી : દેહાધ્યાસ શબ્દભાનેય નથી.

પ્રશ્નકર્તા : તો એ બાવો ના કહેવાય ?

દાદાશ્રી : એ જ બાવો, બાવાની શરૂઆત કહેવાય. દેહાધ્યાસનું ભાન થાય પછી મોટો બાવો, રોફવાળો, પણ તે કપડાંવાળો બાવો નહીં, અસલ

(પા.૭)

બાવો નહીં. અસલ બાવો જ્યારે આ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારથી અસલ બાવો.

પ્રશ્નકર્તા : ડ્રેસવાળો બાવો ?

દાદાશ્રી : ડ્રેસવાળો, ફૂલ ડ્રેસ. લોક વખાણે ત્યારે એવું કહે કે ના ભઈ, બાવાજી આવ્યા. પેલાને (દેહાધ્યાસવાળાને) બાવો કહે કે નાય કહે. એ એના ઘરનો બાવો.

અમારો બાવો જુદો છે. આ મજૂરનોય બાવો કહેવાય. અહીંનો મજૂર, ઈન્ડિયાનો, તે બાવો. કારણ કે એ જાણે, ‘મારી સ્ત્રી, નહીં જાણે કયા અવતારની વેરવી છે ? કયા અવતારનું વેર બાંધ્યું છે ? હેરાન-હેરાન કરી નાખ્યો મને. હજુ ભૂલાયું નથી ગયા અવતારનું !’

ચાલો ઓળખીએ... બાવા અને મંગળદાસને

મંગળદાસને ઓળખ્યા તમે ? ચપ્પુ વાગે મંગળદાસને, લોહી નીકળે તેય મંગળદાસ. બીજાને શી ભાંજગડ ? મંગળદાસને શું કરવા ભૂખે મારીએ?

પ્રશ્નકર્તા : જે ભૂખની અસર થાય, એ કોને અનુભવાય ? મંગળદાસને કે બાવાને અનુભવાય ?

દાદાશ્રી : ભૂખનો પરિચય તો મંગળદાસમાં તો કશું છે જ નહીં, બાવો જ બધું જાણે. મંગળદાસમાં તો કશું જ્ઞાન છે જ નહીં. આપણે ઈન્જિન (મશીન) હોય, એમાં તેલ ખલાસ થઈ ગયેલું હોય તો ઈન્જિન જાણે ?

પ્રશ્નકર્તા : ના જાણે, બરોબર.

દાદાશ્રી : આત્મા જાણ્યા પછી મંગળદાસને જમતા હોય તે કહીએ, ‘જમો ભઈ, આસ્તે રહીને જમો. તરફડાટ ના થાય એવી રીતે.’ તો મંગળદાસેય ખુશ થાય, બહુ સારા માણસ !

તમારું કેટલું, બાવાનું કેટલું અને મંગળદાસનું કેટલું ? આંખે દેખાય, કાનથી સંભળાય, જીભથી ચખાય, નાકથી ગંધાય એ બધું મંગળદાસનું.

પ્રશ્નકર્તા : મંગળદાસ ?

દાદાશ્રી : ડૉક્ટરો કાપે. કાપો ને ખબર પડે એ ભાગ મંગળદાસ. અને આમ ખબર ના પડે, અનુભવનારને જ ખબર પડે, એ બધું બાવો. અનુભવનારને ક્રોધ થાય. એ બાવાને થાય, મંગળદાસને ક્રોધ ના થાય.

પ્રશ્નકર્તા : બરાબર.

દાદાશ્રી : ક્રોધ-માન-માયા-લોભ બધું બાવાનું છે ! આપણા લોક કહે છે, ‘દાદા, હું શુદ્ધાત્મા થયો પણ હજુ મને ક્રોધ આવે છે.’ મેં કહ્યું, ‘ક્રોધ બાવાને આવે છે, તને નથી આવતો.’ એટલે તમારે બાવાને કહેવું કે ‘ભઈ, આસ્તે રહીને કામ લ્યો ને, આપણે નિવેડો આવી જાય.’ થઈ ગયા પછી કહેવું પણ.

કો’કની જોડે ચિઢાતો હોય તો સમજી જવું અને વઢી લે પછી કહેવું, ‘શા હારુ કરો છો ? આ સારું દેખાય છે તમને ?’ કહીએ તો બે ફાયદા, એક તો એમનું જરાક નરમ પડે. કોઈ કહેનાર હતું જ નહીં ને! બેફામ કરતા હતા. બીજો શું ફાયદો ? ત્યારે કહે, આપણે પ્રત્યક્ષ જુદા છીએ, એવી આપણને શક્તિ વધતી જાય.

પ્રશ્નકર્તા : મારો બાવો સત્સંગમાં મોડો પડ્યો છે આજે. મારો બાવો ઘરે થોડો વ્યવહાર કરવા રહ્યો બાજુવાળા જોડે.

દાદાશ્રી : એ વઢવાનું નહીં. મોડો પડ્યો તોય આવ્યો ખરો ને! એટલે બાવાને વઢવાનું નહીં. ધીમે રહીને કહેવાનું, ‘વહેલા જાવ. તમે બધી શક્તિવાળા છો. બધી શક્તિવાળા !’ એવું

(પા.૮)

કહેવાય એમને. વહેલા જવું હોય તોય તમારામાં શક્તિ છે. શક્તિ કાઢીને જતા હોય તો શું ખોટું? વઢીએ તો સામો થાય ને આપણને વઢે, આપણને ઉલ્ટો ઠપકો આપે!

કામગીરી બાવાની, ડિઝાઈન એ મંગળદાસની

આ મંગળદાસ એ છે તે જ્યાં સુધી એ નામથી ‘એને’ ઓળખે છે, ત્યાં સુધી એ મંગળદાસ છે. એ પોતેય જાણે છે કે હું મંગળદાસ છું, ત્યાં સુધી એ મંગળદાસ છે. બાવો ક્રિયાને આધીન બાવો કહેવાયો અને મૂળ તો ‘હું’ જ. ‘હું’ તો કંઈ ખોટું નથી. ‘હું’ બીજી જગ્યાએ વપરાયું છે તે ખોટું છે!

જે મંગળદાસ છે એ જીવાત્મા છે, બાવો એ અંતરાત્મા છે અને ‘હું’ એ પોતે પરમાત્મા છે.

જીવાત્મા, આત્મા અને પરમાત્મા; એમાં હવે જીવાત્મા છે તે કર્મ સહિત અવસ્થા છે ને તે અહંકાર સહિત છે. દેહાધ્યાસરૂપી એ જીવાત્મા કહેવાય અને જેને અહંકાર ના હોય, જીવવા-મરવાનું ના હોય એ આત્મા.

પ્રશ્નકર્તા : અને પછી પરમાત્મા સ્ટેજ ક્યાં રહ્યું ?

દાદાશ્રી : પરમાત્મા તો, એ પોતાના સ્વરૂપનું ભાન થઈ ગયું એટલે આત્મારૂપ થઈ ગયો અને પછી પરમાત્માપણું પ્રગટ થયા જ કરે. ‘ફુલ્લી’ (પૂર્ણ) પ્રગટ થાય એટલે ‘ફુલ’ (પૂર્ણ) પરમાત્મા થઈ ગયા.’ એટલે જ્યારે તેરમું ગુંઠાણું પૂરું થઈ ગયું, કેવળજ્ઞાન થયું પછી તો ‘ફુલ’ પરમાત્મા જ થઈ ગયો!

એટલે ‘આઈ વિધાઉટ માય’ ઈઝ ગોડ, પરમાત્મા, ‘આઈ વિથ માય’ એ જીવાત્મા, ‘આઈ વિથ નોટ માઈન’ એ અંતરાત્મા, બાવો.

પ્રશ્નકર્તા : એક જ વ્યક્તિ ત્રણ પ્રકારે થઈ શકે છે ?

દાદાશ્રી : છે જ ત્રણ પ્રકારે, જ્યારે એ કોલેજમાં ભણે છે ત્યારે શું કહેવાય એ ?

પ્રશ્નકર્તા : સ્ટુડન્ટ, વિદ્યાર્થી.

દાદાશ્રી : એનો એ જ વિદ્યાર્થી, બીજે દહાડે એના લગ્ન હોય ને તો પૈણવા જાય તો ત્યાં શું કહે એને ? વરરાજા. અલ્યા મૂઆ, વિદ્યાર્થીને વરરાજા શું કરવા કહો છો બધા ? ત્યારે આપણા લોકો શું કહે છે બધા ? અલ્યા મૂઆ, વરરાજા છે અત્યારે તો. વિદ્યાર્થી તો ત્યાં સ્કૂલમાં હતો ત્યારે, અહીં નહીં. અહીં તો વરરાજા છે અને શાદી કરતાં પહેલાં કશું થયું ને વહુ ત્યાં મરી ગઈ, તો પછી શું થયું ? આ વરરાજા રહ્યા ? જાન સાથે પાછું. રીટર્ન વીથ થેન્કસ (આભાર સાથે પરત) ! એટલે જે પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે તે બાવો !

બાવો એટલે અહીં કેટલાક સોલિસિટર (વકીલ) થાય છે, તો બાવો એ સોલિસિટર. બાવો એ વેવઈ. બાવો તો અહીં સત્સંગમાં કહેવાય પણ બહાર બીજી જગ્યાએ તો એનો જમાઈ આવે તો મૂઓ બાવો કહે ? ના. ત્યાં ‘હું સસરો છું’ કહે. એ સંજોગો પ્રમાણે પોતાને ફેરવવું પડે, એ બધું બાવામાં જાય. એ તો જમાઈ આવે તો આપણે સસરા કહેવાઈએ, પણ સસરા આવે તો આપણે એના જમાઈ કહેવાઈએ. જે સસરો થયો છે, તેને જમાઈ મરી જાય તેનો આઘાત લાગે. તેમાં આત્માને શી લેવાદેવા ?

પ્રશ્નકર્તા : એટલે જેવા સંજોગો આવે એવી બાવાની બિલિફ બદલાય કે બાવો બદલાય ?

દાદાશ્રી : બાવો બદલાયા જ કરે. બદલાય એનું નામ બાવો. અને નામ તેનું તે રહે. નામ છે તે વિશેષણવાળું હોય. ‘આ પેલો મંગળ,

(પા.૯)

ઓળખ્યો, પેલો લંગડો, નહીં ?’ વિશેષણ હોય એને, પણ હોય મૂળ મંગળનો મંગળ. પણ મૂઆ કોણ ખરેખર ? ત્યારે કહે, ‘મંગળ જ છું’ એ માનનારો આ ‘બાવો.’ એટલે બાવો બદલાયા કરે. હું ક્લેક્ટર, વડોપ્રધાન, ‘પ્રેસિડન્ટ ઓફ ઈન્ડિયા’ બદલાયા કરે. એક સ્ટેજે રહે નહીં અને પેલો જન્મ્યો તે અહીં ઠેઠ મરતા સુધી એનો એ જ મંગળદાસ રહે. ‘હું’ એટલે આત્મા, તેનો તે જ છે. આ બધું વળગણ વળગ્યું, કે વેવાઈ થઉં, મામો થઉં, કાકો થઉં. જાત જાતના પછી વળગણ આ તો. વકીલેય કહેવાઉં.

વકીલાતપણું એ બાવાપણું કહેવાય. એ જ મંગળદાસ અને હું. આ ‘હું’ને ઓળખવાનો હતો. બાવા-મંગળદાસને ઓળખ્યા તો ફજેત થયા. ‘હું’ને ઓળખ્યો એટલે ફજેતપણું બંધ થઈ ગયું. એ એકના એક જ છે આ બધા.

એવું છે આ તો ! તમે ચંદુભાઈ છો ? ‘હા.’ ત્યારે પૂછે, ‘ચંદુભાઈ કોણ પણ?’ ત્યારે કહે, ‘એન્જિનિયર છે તે.’ ઓહો, તમે ચંદુભાઈ છો ને પાછા એન્જિનિયર છો. અને પેલો શું કહે છે ? ‘હું બાવો છું.’ એટલે હવે ‘તમે’ જાણ્યું કે એન્જિનિયરેય નથી ને ચંદુભાઈ જ નથી. ‘હું’ શુદ્ધાત્મા છું. એટલે આ બાજુ ચાલ્યો હવે. અને હું કોણ ? હું શુદ્ધાત્મા. મંગળદાસ એ નામવાળો છે, તે આ સંસાર વ્યવહાર ચલાવે છે, ખાય છે, પીએ છે, ઊંઘે છે, ઉઠે છે, હરે છે, ફરે છે.

બાવો એટલે ગમે તે સ્ટોરવાળો કે ખેડૂત કે નોકર કે ફોજદાર કે જે ધંધો કરે ને તે. પછી મહીં ઊંધા-છત્તાં કરે છે, પાછલા ડિસ્ચાર્જ કરે છે ને નવા ચાર્જ કરે છે. આ ચાર્જ-ડિસ્ચાર્જ કર્યા કરે છે તે બાવો.

એટલે હું, બાવો, મંગળદાસ છે આ જગત. સહુ બોલે, ‘હું, બાવો, મંગળદાસ.’ અરે પણ એ મૂઆ, કોણ ખરેખર તું ? તું બાવો શાથી કહેવાઉં, એનું કંઈ કારણ હોય ને ? કોઈ કહે કે ખેડૂત. અલ્યા ભઈ, ખેડૂત શાથી પણ? ત્યારે કહે, મારે જમીન છે, બળદ છે, તો ખેડૂત. આ છે તે ફોજદાર હોય, તે ખેડૂત ગણાય નહીં ને ! ફોજદારી જે કરે તે બાવો. આ એપ્રોપ્રિએટ (યોગ્ય) દાખલો છે?

પ્રશ્નકર્તા : એક્ઝેક્ટ છે, દાદા.

દાદાશ્રી : આ શરીર એ અંબાલાલ. બાવો કોણ ? આ જ્ઞાની છે તે. અને હું કોણ ? તે આત્મા ! એટલે આ જ્ઞાની બાવા જ કહેવાય ને! હું, બાવો, મંગળદાસ ! કોઈ કહે, ‘અલ્યા, ત્રણેય પાછો એક ? ત્યારે કહે, ‘એકનો એક.’ જો આ ત્રણેય મૂઆ ભેગા છે ને ! બોલે છે ને, હું ચંદુભાઈ લોખંડ બજારવાળો. તું એક જ કે બે જુદા તમે ? સમજે નહીં જુદા ! એ ખાનારો છે મંગળદાસ. પોતે ને એ બે જુદા, પણ ભાન જ નહીં ને ! અમે એક શબ્દ પર કેવા ત્રણ જણ સમજી ગયેલા. હું, બાવો ને મંગળદાસ ! બાવો એટલે એની કામગીરી, આ જે ડિઝાઈન એ મંગળદાસ.

અવસ્થા બદલાયા કરે તે બાવો

સંસારની ખટપટ કરે તે બાવો અગર મોક્ષની ખટપટ કરે, એ પણ બાવો અને ‘હું’ શુદ્ધાત્મા છું.’ સમજણ પડે એવી વાત છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એકના એક પાછાં કે હું, બાવો, મંગળદાસ. મંગળદાસ એ ‘ચંદુભાઈ’ નામ અને આ સંસારી એ ‘બાવો’ અને આત્મા એ ‘હું’ ! હું શુદ્ધાત્મા. બાવો આ બધા. ‘આણે મને ગાળ દીધી’, તે ગાળ દેનારોય બાવો અને ગાળ સાંભળનારોય બાવો. આ બધા ખેલ, બધા જાતજાતના રોમાન્સ કરનારો એ બાવો અને ચંદુભાઈ એ મંગળદાસ.

(પા.૧૦)

બાવો એટલે જે જે ખેલ કરતો હોય. જ્યાં જાય ત્યાં ખેલ તો હોય જ ને ?

પ્રશ્નકર્તા : એ બાવો જ બધા ખેલ કરાવે છે ?

દાદાશ્રી : હા, બાવો કરાવે.

પ્રશ્નકર્તા : અને એ જ બાવો પાછો જ્યારે કહે કે ‘હું શુદ્ધાત્મા’, તો પાછો શુદ્ધાત્માય થઈ જાય.

દાદાશ્રી : હંઅ, થઈ જાય.

પ્રશ્નકર્તા : જેવો ચિંતવે તેવો થઈ જાય, એવો આત્મા છે. તો એ આ બાવાની વાત છે ? બાવો એવો થઈ જાય ?

દાદાશ્રી : હા, જેવું પોતે ચિતરે. ‘આપણે રોમાન્સ જ કરવો છે,’ તો તેવો થઈ જાય. ‘આપણે મોક્ષે જવું છે’ તો તેવો થતો જાય. નક્કી કરવું જોઈએ. તેં શું નક્કી કર્યું ?

પ્રશ્નકર્તા : મોક્ષે જવાનું !

દાદાશ્રી : હવે બાવો કયા ભાગને કહે છે, તે સમજી ગયા ને તમે? આ સાઠ વર્ષની, આ એંસી વર્ષની, આ નેવું વર્ષની, આ સિત્તેર વર્ષની, ઘૈડી, ભણેલી, અભણ, રાંડેલી, માંડેલી, એ બધું બાવામાં. ઠેકાણા વગરના છે, બરકત નથી, એ બધું બાવામાં. બરકતવાળો છે તેય બાવામાં. આ બધું બાવો. અવસ્થા બદલાયા કરે એ બધું બાવો. ઠેઠ સુધી, મોક્ષે જતાં સુધી, હું, બાવો અને મંગળદાસ. હું આત્મા, હું જાણે કે બાવો કેવો છે ને કેવો નહીં, ના જાણે ?

પ્રશ્નકર્તા : જાણે બધું.

દાદાશ્રી : મંગળદાસને પછી મંગળી મળે. મંગળદાસ ને મંગળીનું લગ્ન થાય. મંગળદાસને ઓળખ્યો કે ? મંગળદાસ ને મંગળી પણ બેઉ મંગળદાસ ! બાવો કોણ ? ત્યારે કહે, મંગળદાસના રૂપને જુએ તે. એટલે મંગળદાસ જોડે સંબંધ બેઠો. લેવા-દેવાય નહીં કશું. અને મંગળદાસનો ઉશ્કેરાટ બાવામાં પેસી જાય. ઉશ્કેરાટ મંગળદાસમાં હોય, બાવો માની લે.

રાતે પછી એની વાઈફ જોડે વઢવાડ થઈ ને સૂઈ ગયો, એટલે એના મનમાં એમ થાય કે હવે ક્યારે મારા લાગમાં આવે ? જો બાવો શું શું કરે ?

પ્રશ્નકર્તા : બધું જ કરે.

દાદાશ્રી : બાવાને ખબર નથી કે આ શું કરી રહ્યો છે ! આનું શું આવશે રીએક્શન (પ્રતિક્રિયા), એનું ભાન નથી !

સ્ત્રી તોય બાવો, પુરુષ તોય બાવો. ઘરડો તોય બાવો, જુવાન તોય બાવો, નાગો છોકરો ફરતો હોય તોય બાવો. પેટમાં હોય તેય બાવો. દાખલો એપ્રોપ્રિએટ છે કે નહીં ?

પ્રશ્નકર્તા : બરાબર છે, દાદા.

દાદાશ્રી : કયા પુસ્તકમાં હશે ? આ બુદ્ધિકળાનું નથી, આ જ્ઞાનકળાનું છે. બુદ્ધિકળામાં આત્માની કળા આવે નહીં. હવે ‘બાવા’ને ઓળખે કે ના ઓળખે ?

પ્રશ્નકર્તા : ઓળખાય.

દાદાશ્રી : ‘હું’ જાણે કે ના જાણે ?

પ્રશ્નકર્તા : બધું જાણે.

દાદાશ્રી : ‘બાવો’ કેવો છે, કેવો નહીં ? પછી ‘હું’ ‘બાવો’ થઈ જાય કે થઈ રહ્યું ! અત્યાર સુધી તમે એવા હતા.

હવે મંગળદાસ કોણ ? જે નામધારી હતો ને આ નામ-રૂપ, બધું આ ફિઝિકલ ! અને

(પા.૧૧)

આ ફિઝિકલ સિવાય બીજું સૂક્ષ્મથી માંડીને ઠેઠ (સૂક્ષ્મતમ) સુધી બધું બાવો.

પ્રશ્નકર્તા : મન ? અંતઃકરણ ?

દાદાશ્રી : બધુંય.

પ્રશ્નકર્તા : એ બાવામાં જાય ?

દાદાશ્રી : બધું બાવામાં. જેટલું મન છે તે ફિઝિકલ (સ્થૂળ) છે એટલું આમાં ગયું અને બીજું ફિઝિકલ નથી, એ બધું બાવામાં.

પ્રશ્નકર્તા : પછી ક્રોધ-માન-માયા-લોભ કરે એ બાવો ?

દાદાશ્રી : બધું બાવો. ક્રોધ-માન-માયા-લોભ હોય તોય બાવો અને ક્રોધ-માન-માયા-લોભ જીતાઈ જાય તોય બાવો. જીતાઈ જાય તો સંયમી કહેવાય.

પ્રશ્નકર્તા : બાવો જ સંયમી કહેવાય છે ?

દાદાશ્રી : હા. સંયમી એટલે અસંયમ કરતો નથી એ, એટલે વિશેષણ થઈ ગયું. જેને વિશેષણ બદલાય એ બાવો !

‘મન’ ‘બાવા’નું ને ‘મંગળદાસ’નું

એક મન બાવાનું છે અને એક મન મંગળદાસનું છે. ધેર આર ટુ માઈન્ડસ (બે મન છે). મંગળદાસને શું વિચાર આવે છે એ બાવો જોઈ શકે. એટલે જે વિચારો બાવો જોઈ શકે, એ મન બાવાનું નહીં. અને જે મનને જાણી ના શકે, એ બાવાનું. પછી એને પોતાનું મન છે, એને એ પોતે જાણી ના શકે. એ કોઈ સમજણ પાડે ત્યારે જાણી શકે.

પ્રશ્નકર્તા : એટલે મનની જોડે જ્યારે બાવો તન્મયાકાર થઈ જાય, ત્યારે એ જાણી ના શકે એવું ?

દાદાશ્રી : મનમાં જે વિચાર આવે તેની મહીં બાવો તન્મયાકાર થઈ જાય, એટલે પછી એ મંગળદાસ થઈ ગયો અને આવતો ભવ ઊભો થાય. એટલે મન ચોખ્ખું ના થાય. અને બાવો છેટો રહીને જુએ ને જાણે તો મન ચોખ્ખું થતું જાય. એટલે મનની એટલી ખોટ ઓછી થઈ ગઈ. આપણા લોક કહે કે આત્મા ભળે, પણ એ આત્મા તો વાત કરવાની એટલી, એ બોલે એટલું જ. બાવો જ ભળે. બાવાનું મન, ભાવ મન. ભાવ એ બધો બાવો અને દ્રવ્ય એનું નામ મંગળદાસ ! તે ભાવ મન એ પોતાની સત્તામાં છે. લીકેજ થતું હોય તો, આપણે એને બંધ કરી શકીએ. ભાવ મન એ ‘લીકેજ’ છે, સંજોગોના આધારે. હવે ભાવ મનનો અર્થ શું ? ત્યારે કહે, ‘હું કર્તા છું’ એ જ ભાવ મન શરૂ થઈ ગયું અને ‘હું અકર્તા છું’ એટલે ભાવ બંધ થઈ ગયો.

સ્થૂળ મન મંગળદાસમાં જાય અને સૂક્ષ્મ મન બાવામાં જાય. જે બીજા ફરી અવતાર કરાવડાવે ને એ બાવાનું મન. આપણે બાવાનું એ મન કાઢી નાખ્યું. એટલે પેલું સ્થૂળ મન છે તે ફર્યા કરે, એને આપણે જોવાનું કહ્યું.

પ્રશ્નકર્તા : સ્થૂળ મનને જોનારો તે હઉ બાવો જ ને ?

દાદાશ્રી : જોનારો ખરો ને બાવો. એ જે જોનારો બાવો ખરો, એને જાણનાર કોણ ? પ્રજ્ઞાશક્તિ. એ ઠેઠ આત્માને પહોંચી ગઈ વાત. એટલે જોવાનું. અને બાવો જોવાનું એકલું કામ કરી શકે નહીં. બાવો જો આવું જોવાનું કરે તો એ બાવો નહીં. એટલે ત્યાં પ્રજ્ઞાશક્તિનું કામ. જોવામાં ને જાણવામાં પ્રજ્ઞાશક્તિ આવે. બાવો જાણે ખરો કે આ જુએ-જાણે એ મારો સ્વભાવ નહીં; હું (બાવો) તો ‘મંગળદાસ શું કરે છે’ એને જાણું.

પ્રશ્નકર્તા : પ્રજ્ઞા જો જુએ ને જાણે તો

(પા.૧૨)

આ બાવાનું એક્ઝિસ્ટન્સ (અસ્તિત્વ) તો રહે જ નહીં ને ?

દાદાશ્રી : પણ જ્યાં સુધી પ્રજ્ઞા જુએ છે, જાણે છે, ત્યાં સુધી બાવો રહે છે હજુ. એ પ્રજ્ઞા બાવાનેય જુએ છે, જાણે છે.

પ્રશ્નકર્તા : આપે અકર્તાપદમાં મૂકી દીધા. પછી બાવો મનની જોડે તન્મયાકાર થઈ જાય ખરો ? પછી કેવી રીતે થાય ?

દાદાશ્રી : એવું છે ને, પછી ‘બાવો છું’ એવી પોતાની માન્યતા ના રહી એટલે અકર્તા. એટલે હવે જે કંઈ મંગળદાસ કરે, તેની જવાબદારી આપણી રહી નહીં. કારણ કે એ બધું નિકાલ થઈ જાય. ફરી એનું રિએક્શન (પ્રતિક્રિયા) નહીં આવવાનું, અકર્તા થવાનો. કારણ કે ‘એ’ જ કર્તા હતો, તેથી રિએક્શન આવતું’તું!

પ્રશ્નકર્તા : મંગળદાસ ગમે તે ક્રિયા કરે તો કહે મન એનું વિચાર કરે, હવે બાવો તન્મયાકાર ના થાયને ?

દાદાશ્રી : એ તો વાત-વાતમાં એવું બોલીએ. વર્તનમાં રહેવું મુશ્કેલ છે ને ! એ તો ધીમે ધીમે ધીમે ધીમે આવે. આ તો ઘણા દહાડે ઓળખ્યો ને, એટલે એકદમ તન્મયાકારપણું જાય નહીં ને !

મૂળ ‘હું’ આત્મા જોનાર-જાણનાર

હવે ચેતનનો ભાગ કયો ? કયા ભાગમાં ચેતન આવે? ત્યારે કહે, તીર્થંકર એ ચેતન ? ત્યારે કહે, ‘ના ! તીર્થંકર એ ચેતન નથી, એ કર્મ છે. નામકર્મ છે એ. ત્યારે કહે, તીર્થંકરનો અવતાર તે ચેતન છે? ત્યારે કહે, ‘ના, ચેતન હોય નહીં.’ આ બધાને જાણે, એનું નામ ‘ચેતન.’ એટલે વિધાઉટ (વિના) ચેતન આ દુનિયા ચાલ્યા કરે છે. સર્કલ (સંસારી અવસ્થાઓ)ની બહાર ઊભું રહેલું છે ચેતન ‘પ્યૉર’, તેની હાજરીથી ચાલે છે. એ ‘પ્યૉરીટી’ આપણને ક્યારે માલમ પડે ? ત્યારે કહે, બધા સર્કલને ઓળખે ત્યારે. સર્કલમાં મારાપણું ના કરે એટલે પ્યૉર થઈ જાય !

પ્રશ્નકર્તા : પુદ્ગલની બધી અવસ્થા ‘સર્કલ’ ગણાય ?

દાદાશ્રી : બધી અવસ્થા. પણ આપણા લોકોને એનું ભાન જ નહીં ને! ચેતન વગર ચાલે કેવી રીતે આ ? ખ્યાલ શી રીતે રહે કે ચેતન વગર ચાલે છે આ? શાસ્ત્રો શી રીતે આવડે ? સમ્યક્ જ્ઞાન શી રીતે થાય? સમ્યક્ જ્ઞાન એટલે શું ? સમ્યક્ દર્શન એટલે શું કે આ બધા સર્કલની બહાર હું છું, એવી શ્રદ્ધા બેસે !

એટલે આપણા લોકો, સંતોને પૂછીએ, ‘આમાં ભગવાન શું કરે છે?’ ત્યારે એ કહે, ‘આ ભગવાન લોકોનું ભલું કરે છે. સમજણ પાડે છે બધાને.’ એ સમજણ પાડે છે, તેય ચેતન ન્હોય. એ તો સર્કલ છે. સમજણ પાડનારનેય જે જાણે છે તે. ‘હું તીર્થંકર છું’ એવું ‘જે’ જાણે છે તે ‘આત્મા’ છે. તીર્થંકર છે તે આત્મા ન્હોય !

આ વાત કરી કોણે ? ચેતને નહીં, એય બાવાએ કરી અને સાંભળનારોય બાવો. સર્કલવાળો બાવો, અમુક સર્કલમાં આવે ને, ત્યારે એને ખબર પડે કે અહીંથી ‘લેક’ (સરોવર) નજીક હોવું જોઈએ. હવે આપણે સર્કલની બહારના ‘લેક’માં આવ્યા છીએ એવી એને ખબર પડે, એનું નામ સમકિત અને એ શ્રદ્ધા બેસી જાય. પછી જેમ જેમ નજીક જઈએ તેમ એનું ‘જ્ઞાન’ થતું જાય કે ખરેખર આ જ છે. સર્કલની બહાર આ છે.

એટલે જેને વિશેષણ ના હોય, ત્યાં મૂળ ‘હું’ આવ્યું ! ‘હું શુદ્ધાત્મા છું’ એ વિશેષણ વગરનું. અત્યારે શુદ્ધાત્મા તેય વિશેષણ છે,

(પા.૧૩)

આત્માનું શુદ્ધ સ્વરૂપ એની પણ આગળ જવાનું છે. પણ આ શુદ્ધાત્મા થાય તોય બહુ થઈ ગયું ! ત્રણસો પિસ્તાલીસથી ઉપર આવ્યો, એને ‘હું શુદ્ધાત્મા છું’ બોલવું ના પડે. ત્યાર પછી આગળ જવાનું !

એટલે બાવાનું સ્વરૂપ ક્યાં જાય છે કે જે આત્માની સન્મુખ થયા ને, જીવાત્માની દશાથી ખસીને આત્મસન્મુખ થયા છે, તે લોકો બાવાના સ્વરૂપમાં જાય છે. માટે તે પછી અૅબ્સોલ્યુટ સુધી જાય છે. એટલે આ વચલી, બાવાની સ્થિતિ આ છે.

પ્રશ્નકર્તા : બાવો જાણી શકે નહીં ?

દાદાશ્રી : જાણનાર જ છે. એ જાણે છે ખરો, પણ બાવો એવું જાણનાર છે કે આ આત્મા જાણે છે. બાવો જાણે તો પછી આત્મા રહી જાય. બધું કરે છે અને જાણે છે, એવું મિક્ષ્ચર છે ત્યાં સુધી બાવો ને એકલું જાણે છે તે આત્મા. મૂળ જાણનાર આત્મા જ છે.

પ્રશ્નકર્તા : કયો આત્મા જાણે છે ?

દાદાશ્રી : જાણનાર આત્મા, શુદ્ધાત્મા. મૂળ આત્મા, ભગવાન જે છે તે જ.

પ્રશ્નકર્તા : બાવો અને મંગળદાસ એ બન્નેનો જ્ઞાતા-દ્રષ્ટા શુદ્ધાત્મા જ રહે છે ?

દાદાશ્રી : બન્ને શું ? બન્નેની અંદર જેટલા ભાગ હોય એ બધાને જુએ છે, જાણે છે.

પ્રશ્નકર્તા : અને બાવો એકલો મંગળદાસનો જ જ્ઞાતા-દ્રષ્ટા રહે છે?

દાદાશ્રી : બાવો તો જ્ઞાતા-દ્રષ્ટા રહે જ નહીં. જ્ઞાતા-દ્રષ્ટા તો શુદ્ધાત્મા જ છે. એ સિવાય બીજું કોઈ જ્ઞાતા-દ્રષ્ટા છે જ નહીં. આમાંય બધું જુએ છે, આ બધી ચીજો આંખે દેખાય છે, તે બધી શુદ્ધાત્માને લીધે દેખાય છે. બાકી બાવાને તો એવી શક્તિ જ નહીં ને ! બાવા તો અંધા છે. (બાવો માત્ર માને છે કે હું જોઉં છું ને જાણું છું. એટલે એ રીતે એ જોનાર-જાણનાર બને છે. ખરેખર તો ‘મૂળ આત્મા જ જોનાર-જાણનાર છે’ અને ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ કરનાર છે. વળી મંગળદાસ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે કરે છે. ત્યારે બાવો માને છે કે હું કરું છું. આમ કર્તા ને જ્ઞાતા બેઉ બાવો બને છે, માન્યતાના આધારે, એમ સમજવું.)

હું, બાવો ને મંગળદાસ, ત્રણની વાત આવી તો બધું સમજી જાય કે મંગળદાસ કોણ ? હું કોણ ? અને બાવો કોણ ? હવે મંગળદાસ તો દીવા જેવી ચોખ્ખેચોખ્ખી વાત છે. બહાર દેખાય છે તે કોણ ? ત્યારે કહે, મંગળદાસ. હાડકાં દેખાય છે તે કોણ ? ત્યારે કહે, મંગળદાસ. દેખાતો નથી એ બાવો.

પ્રશ્નકર્તા : આ ભૂખ લાગે, તરસ લાગે, જે જોઈ શકાય એવી વસ્તુ નથી. અંદર જે થાય છે એની મેળે જ, તો એ કોને થાય છે અને એ કોણ જોઈ શકે છે ? આપ એવું બોલેલા કે અમે ખોરાક ખાઈએ તો બધું જોઈ શકીએ. પચે તે પણ જોઈ શકીએ. બધું અમે જુદે જુદું જોઈ શકીએ. તો એ કેમનું દેખાય, કોણ જોઈ શકે ? એમાં જ્ઞાતા-દ્રષ્ટા કોણ ?

દાદાશ્રી : બળ્યો, આત્મા સિવાય કોઈ વસ્તુ જ્ઞાતા-દ્રષ્ટા હોય જ નહીં.

‘હું’ પ્રજ્ઞા સ્વરૂપે સમજે બાવા-મંગળને

પ્રશ્નકર્તા : મંગળદાસનો ફોટો તો એક્ઝેક્ટ પડી શકે એવો છે જ, બાવો પણ દેખાય એવો છે ને ?

દાદાશ્રી : તે આમ સ્થૂળ ના દેખાય.

(પા.૧૪)

પ્રશ્નકર્તા : એટલે સમજાય એવો છે. સમજણ પડી જાય બાવાનું પદ, એવો છે ?

દાદાશ્રી : એટલે કેવળજ્ઞાનમાં દેખાય અને ત્રણસો છપ્પન સુધી સમજણ પડે, ત્રણસો ઓગણસાઠ સુધી. ત્રણસો છપ્પને અમુક સમજે, ત્રણસો સત્તાવન થાય ત્યારે થોડુંક વધારે સમજે, ત્રણસો અઠ્ઠાવને વધે, ત્રણસો ઓગણસાઠ થાય થોડું વધારે થાય અને સાઠમાં પૂરું થઈ જાય.

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : બાકી બારસ, તેરસ, ચૌદસ, પૂનમને દહાડે પૂનમ થઈ જાય. પૂનમ ત્રણસો સાઠ, ચૌદસથી આગળ.

પ્રશ્નકર્તા : આ કેમેરાથી મંગળદાસનો ફોટો પડે એવો છે, દેખાય એવો જ છે, તો બાવો દેખાય એવો છે ?

દાદાશ્રી : મંગળદાસ એ ફિઝિકલ છે, બાવો ફિઝિકલ નથી. છતાં ફિઝિકલ છે, પણ દેખાય નહીં એવો ફિઝિકલ છે.

પ્રશ્નકર્તા : એટલે જ્ઞાને કરીને સમજાય કે આ બાવાનું જ પદ છે.

દાદાશ્રી : એ સમજાય ખરું. એ દર્શનમાં આવે. સમજમાં આવ્યું એ દર્શન કહેવાય. દર્શનમાં ના આવ્યું હોય તેને અદર્શન કહેવાય.

પ્રશ્નકર્તા : આ મંગળદાસનું પદ છે, આ બાવાનું પદ છે એવું કોણ સમજે છે ?

દાદાશ્રી : ‘હું.’

પ્રશ્નકર્તા : પ્રજ્ઞા સ્વરૂપે ?

દાદાશ્રી : હં.

પ્રશ્નકર્તા : આ બહારની વ્યવહારની અવસ્થાઓ એ બધું જુએ છે કોણ ? એ બધું મંગળદાસ જુએ છે કે બાવો ?

દાદાશ્રી : મંગળદાસ જુએ છે, પણ જોનાર બાવાની ઈચ્છા હોય તો દેખાય, નહીં તો ના દેખાય.

પ્રશ્નકર્તા : એ બાવાને જેમાં ઈચ્છા છે, ઈન્ટરેસ્ટ (રસ) છે.

દાદાશ્રી : જોનાર (બાવો) હોવો જોઈએ, આ તો ચશ્મા છે. મંગળદાસ ચશ્મા જેવો છે.

પ્રશ્નકર્તા : એટલે બાવો જોનારો છે ?

દાદાશ્રી : હા, બાવો જોનારો.

પ્રશ્નકર્તા : તો પછી સારું-ખોટું કરનારોય બાવો ?

દાદાશ્રી : બસ, બીજું કોણ ત્યારે ?

પ્રશ્નકર્તા : અને બાવાને જ્યારે જાણે કે આ બધું બાવાએ કર્યું, તે આપણે પોતે ‘હું.’

દાદાશ્રી : ‘હું’ એ બધું જ જાણે. ‘હું’ મંગળદાસનેય જાણે અને આ બાવાનેય જાણે, બધાને જાણે.

પ્રશ્નકર્તા : જગતના લોકોને એટલે કે જ્ઞાન ના લીધું હોય, એને કેવી રીતે હોય છે બધું ? બાવાનું પદ અને મંગળદાસનું પદ હોય જ ? એને ‘હું’ હોય ? એની સમજમાં ત્રણે પદ હોય કે એને ખબર ના હોય ?

દાદાશ્રી : બધુંય હોય એનું. પણ એમને સમજમાં ના હોય. જ્ઞાન પછી જ સમજાય.

અહંકાર એ જ બાવો છે

પ્રશ્નકર્તા : અહંકાર અને બાવામાં શું ફરક ? જે આ અહંકાર જ્ઞાતાભાવે અને કર્તાભાવે રહે છે, તો બાવાનું પણ એવું જ કંઈક કાર્ય હોય છે ને, દાદા ?

(પા.૧૫)

દાદાશ્રી : અહંકાર એ જ બાવો છે ને ! બાવામાં મુખ્ય વસ્તુ અહંકાર જ છે. અહંકાર ઓછો થાય તેય બાવો છે. તે ઓછો અહંકારી છે. અહંકાર ખલાસ થઈ ગયો હોય તેય બાવો છે.

પ્રશ્નકર્તા : એટલે પછી બાવાનુંય અસ્તિત્વ ખલાસ થઈ ગયું ને?

દાદાશ્રી : ના.

પ્રશ્નકર્તા : કે નિર્અહંકારી પદે બાવો રહે ?

દાદાશ્રી : અમારે ચાર્જ કરનારો અહંકાર પોતે ખલાસ થયેલો જ છે. અમારે ‘હું’ ‘અહંકાર’ ખલાસ થયેલો છે, પણ આ બાવો હજુ અહંકારી છે, ત્રણસો છપ્પનવાળા. એટલે ડિસ્ચાર્જ અહંકાર રહે, નહીં તો સંડાસેય ના જવાય.

પ્રશ્નકર્તા : દાદા, એટલે એ હિસાબે તીર્થંકરોને ડિસ્ચાર્જ અહંકાર પણ ખલાસ થઈ ગયો હોય છે, એટલે એનો બાવો પણ ખલાસ થઈ ગયેલો?

દાદાશ્રી : હા. પછી એમને કશું કરવું ના પડે.

પ્રશ્નકર્તા : ખાવું-પીવું, સંડાસ, અન્ન કશું જ નહીં ?

દાદાશ્રી : એ એમનું ખાવા-પીવાનું જુદું હોય, ખવડાવનાર જુદા, બધું જ જુદું હોય. કેટલુંક દેહ જ કામ કર્યા કરે. કેટલુંક ખવડાવનાર-પીવડાવનાર જુદા હોય, અંદર ચલાવનાર જુદા હોય. એ ઠેઠ મોક્ષે પહોંચાડનારાય જુદા હોય.

બાવાથી બંધાય પ્રકૃતિ

પ્રશ્નકર્તા : દાદા, ઘણી વખતે એવું બને છે કે આપણે એક સમજણ પ્રમાણે ચાલતા હોઈએ. હવે એ સમજણ તો બાવાની હોય કે ભઈ, ‘આ પંખો ના ખાવો જોઈએ.’ પણ પછી અમુક સંજોગોમાં પાછી એની બિલિફ ફરે, કે ‘ના, પંખો ખાય તો બહુ સારું.’ એટલે પછી એની બિલિફ એવી ફરે. એટલે પછી પાછું આ પ્રકૃતિને પંખો સારો લાગે.

એટલે આ જે પ્રકૃતિ બંધાય છે અને પ્રકૃતિ ઈફેક્ટમાં આવે છે, એની પાછળ જ્ઞાન બાવાને જે પ્રાપ્ત થયું છે એ કારણભૂત હોય છે ?

દાદાશ્રી : બાવાથી જ પ્રકૃતિ બંધાય છે. બાવો જ પ્રકૃતિ બાંધે છે, પ્રકૃતિ પ્રકૃતિને બાંધતી નથી. પહેલા બાવાએ બાંધેલી હતી. તે એ થોડો ભાગ પ્રકૃતિ થઈ ગયો અને બીજો બાવાની પાસે રહ્યો. જ્ઞાનથી, જે જ્ઞાનના સંજોગો મળે, તેનાથી ચેન્જેબલ (ફેરફાર) થાય એ બાવા પાસે રહે અને જે ચેન્જેબલ ના થાય એ પ્રકૃતિમાં રહ્યો.

પ્રશ્નકર્તા : એક્ઝેક્ટ છે એવું ! હવે બાવા પાસેનું જ્ઞાન ચેન્જેબલ છે?

દાદાશ્રી : જ્ઞાન હંમેશાં ચેન્જેબલ જ હોય. બાવા પાસે નહીં તો ગમે તેની પાસે. એ જ્ઞાન એટલે અજ્ઞાન અને અજ્ઞાન એ એક પ્રકારનું જ્ઞાન છે. છેવટે બધું જ્ઞાનમાં જ સમાય છે. અજ્ઞાન-જ્ઞાન, અર્ધદગ્ધ જ્ઞાન, અર્ધદગ્ધ અજ્ઞાન, બધું જ્ઞાનમાં જ જાય અને જ્ઞાન જ બધું ફેરફાર કરે. અને પ્યૉર (શુદ્ધ) જ્ઞાન એ તો ભગવાન જ છે. અને બીજું બધું નીચેનું છે તે ભેદ પડ્યા, કે આ બાવો. જ્ઞાન એય બાવાનું, અજ્ઞાન એય બાવાનું.

બાવો સમજાવે, મંગળદાસ કરે

(જ્ઞાની) બાવાનો પગ (તમારો) બાવો ઘસે છે, એ હું જોઉં છું ને જાણું છું હઉ. તમે ફક્ત જુઓ છો એટલું જ. સમજ પડી ને ?

પ્રશ્નકર્તા : આ મંગળદાસનો પગ નહીં ?

દાદાશ્રી : મંગળદાસ શું કરે છે, તેને તમે જુઓ છો.

(પા.૧૬)

પ્રશ્નકર્તા : તો પગ મંગળદાસનો થયો ને ?

દાદાશ્રી : હા.

પ્રશ્નકર્તા : અને ઘસનારોય મંગળદાસને ? મંગળદાસનો પગ અને મંગળદાસ ઘસનારો.

દાદાશ્રી : એમાં વહેંચેલું હોય બધું. આ તારું કામ, આ મારું કામ, આપણે બધા એક જ. હું તને કહું ને તું કર એ પ્રમાણે. હું સમજ પાડું તને.

પ્રશ્નકર્તા : એટલે બાવો સમજણ પાડે છે ?

દાદાશ્રી : બધી જ બાવો સમજણ પાડે.

પ્રશ્નકર્તા : એટલે એ મંગળદાસ કર્યા કરે છે.

દાદાશ્રી : નહીં તો એને સમજ જ નથી ને !

બાવાનો સમભાવે નિકાલ થતા શુદ્ધ

ચંદુભાઈની વાત કરો. કોણ વાત કરશે ? (ટેપરેકર્ડ) વ્યવસ્થિત (ને તાબે છે), બાવો નહીં. જાણનારો કોણ ? એ હું. હવે વાતો કરો.

સ્થૂળ તે ચંદુભાઈ, એ મંગળદાસ. પછી સૂક્ષ્મ ભાગ રહ્યો અને કારણ ભાગ રહ્યો એ બંને બાવાના અને હું શુદ્ધાત્મા. હું, બાવો, મંગળદાસ. આ આપણું વિજ્ઞાન આખુંય, અક્રમ વિજ્ઞાન ! એ બાવાપદનો હવે નિકાલ કરવાનો. જે બાવાપદ લઈને આવ્યા છો ને, એ બાવાપદનો નિકાલ કરે એટલે શુદ્ધ થઈ ગયા. પણ હજુ ચંદુભાઈ તો જોડે રહ્યો ને ! ને એન્જિનિયરેય જોડે રહ્યો ને ! એનો સમભાવે નિકાલ કરવાનો. મંગળદાસ ને બાવો, બે જુદા ને હું જુદો. એને તારે પાડોશી તરીકે તો જોડે રાખવા પડે ને ? નિકાલ તો કરવો પડશે ને ? પાડોશી જોડે ઝઘડો ઓછો ચાલે છે ?

પ્રશ્નકર્તા : સમભાવે નિકાલ તો ચંદુભાઈનો કરવાનો ને ?

દાદાશ્રી : એ જ ચંદુભાઈ !

પ્રશ્નકર્તા : એટલે સમભાવે નિકાલ બાવાનો નહીં, ચંદુભાઈનો કરવાનો ને ?

દાદાશ્રી : આ એન્જિનિયરને કરવાનો. એ ચંદુભાઈ જ એન્જિનિયર છે ને ! ચંદુભાઈ એન્જિનિયરને કરવાનો. એ એકલો ચંદુભાઈ નહીં, એય પાછો એન્જિનિયર છે તે. સમભાવ એટલે મિત્રાચારી નહીં અને દુશ્મનીય નહીં. એ (ચંદુભાઈ) આપણો દુશ્મન નથી. એ તો આપણે ઊભો કરેલો. આપણે ઊભો કરેલો ને ? ભૂલ તો આપણી જ છે ને ?

હું બાવો ને મંગળદાસ સમજાઈ ગયું બરોબર ? એ તારે બાવો છે ને?

પ્રશ્નકર્તા : હા, દાદા. બાવાનો જ નિકાલ કરવાનો છે ને !

દાદાશ્રી : બાવો કેવો છે એ તું ના જાણું ? બાવાનો સ્વભાવ કેવો છે ? જાણકાર જાણે. બાવો સ્વભાવ પ્રમાણે કર્યા કરે ને જાણકાર જાણે કે એણે આવું કર્યું આ.

પ્રશ્નકર્તા : હવે બાવાને શુદ્ધ કરતાં રહેવાનુંને ?

દાદાશ્રી : હા, નહીં તો છોડે નહીં ને ! મૂઓ દાવો માંડે. હાઈકોર્ટમાં માંડે ત્યારે શું થાય ? આપણને આવડે છે બધું. છૂટતાંય આવડે છે ને બંધાતાય આવડે છે. બંધાઈએ તે અજ્ઞાનથી બંધાઈએ છીએ. અને એમાં બંધાઈએ છીએ પછી ફાયદો ના નીકળે એટલે પાછો છોડી દઈએ.

આ એની જોડે નિકાલ કરવો. એ બાવાને ખુશ કરવો પડે. કંઈ સારું ખાવાનું ના મળતું હોય

(પા.૧૭)

ને તો આખી રાત જાગે. બાવાને ઓળખીએ તો પછી બાવો ના થઈએ.

પ્રશ્નકર્તા : બરાબર.

દાદાશ્રી: બાવાને સારું ખાવાની ટેવ ના રાખીએ તો પછી મુશ્કેલી ના પડે. પહેલાં તો બાવો થઈને મૂઆ સારું ખાવાની ટેવ પડે. એ તો ટેવ વધતી જાય ઉલ્ટી. હવે બાવાની બહાર નીકળીને આપણે આ ‘હું’માં આવ્યા!

‘મંગળદાસ’ પર શી અસર ?

પ્રશ્નકર્તા : આ બાવો ત્રણસો પિસ્તાળીસની ઉપર જાય તો મંગળદાસમાં શું ફેરફાર થાય ?

દાદાશ્રી : મંગળદાસમાં ફેરફાર કંઈ ના થાય. એ તો એની પ્રકૃતિમાં જ હોય. ફેરફાર થયા કરે છે બાવો જ, ‘હું’ ફક્ત જોયા કરે.

પ્રશ્નકર્તા : આ બાવો એ કયા આધારે ફેરફાર થાય છે ?

દાદાશ્રી : ઈફેક્ટના આધારે.

પ્રશ્નકર્તા : મંગળદાસની ઈફેક્ટને આધારે ? બાવાને ફેરવે છે કોણ? એટલે કે જ્ઞાન કે બહારની અસરો ? બાવો કયા આધારે ફેરફાર થાય છે?

દાદાશ્રી : ઈફેક્ટના આધારે. (જ્ઞાને કરીને જેટલી ઈફેક્ટ ભોગવાઈ ગઈ તેટલો બાવો આગળ વધે એમ સમજવું.)

પ્રશ્નકર્તા : ઈફેક્ટ મંગળદાસની ?

દાદાશ્રી : વળી મંગળદાસની ઈફેક્ટ હોતી હશે ?

પ્રશ્નકર્તા : તો ?

દાદાશ્રી : જે એને ભોગવે એની. મંગળદાસ એની પોતાની ભોગવે, બાવો એની ભોગવે.

પ્રશ્નકર્તા : એ ત્રણસો પિસ્તાળીસમાંથી ત્રણસો છેતાલીસ આવે, ત્રણસો સુડતાલીસ આવે, એ કયા આધારે આવે છે ?

દાદાશ્રી : એ જેટલું (જ્ઞાને કરીને) ભોગવાઈ ગયું, એટલું આમાં આવ્યો. એટલે ‘હું’માં આવ્યો એટલો વધ્યો.

પ્રશ્નકર્તા : બાવો ‘હું’માં જાય છે ?

દાદાશ્રી : ત્યારે બીજું કોણ જાય ? એ ત્રણસો છપ્પનવાળો બાવો વધતો વધતો ત્રણસો સાઠ થશે. ઓગણસાઠ ત્યાં સુધી બાવો અને સાઠ થયો તો એ પોતે !

પ્રશ્નકર્તા : અને ‘હું’ ત્યારે હતો જ અને રહે જ છે ?

દાદાશ્રી : ‘હું’ તો હોય જ ને !

પ્રશ્નકર્તા : તો આ ‘હું’ બાવાને કંઈ સમજણ પાડે એવું બને છે?

દાદાશ્રી : બને ને ! (અહીં ‘હું’ પ્રજ્ઞા સ્વરૂપે કામ કરે છે તેમ સમજવું.)

પ્રશ્નકર્તા : અને એ સમજણથી બાવો ‘હું’ પાસે આવે એવું બને છે?

દાદાશ્રી : હા, એ સમજણથી જ આવે ને, બીજું શું ?

પ્રશ્નકર્તા : એટલે એ શું છે બધું ? એટલે બાવાને પ્રગતિ માંડવી હોય તો શું હોય છે વચ્ચે ?

દાદાશ્રી : બીજી શી પ્રગતિ માંડવાની ? આ ‘હું’ કહે એટલું જ. ‘હું’ને શબ્દ ના હોય.

પ્રશ્નકર્તા : ‘હું’ને શબ્દ ના હોય ? તો એ કઈ રીતે સમજણ પાડે છે એને ?

દાદાશ્રી : એ તો પેલી શક્તિ ખરી ને, પ્રજ્ઞાશક્તિ, એ ‘હું’નો ભાગ, પ્યૉર જ છે.

(પા.૧૮)

પ્રશ્નકર્તા : બરોબર.

દાદાશ્રી : પણ એની સંજ્ઞાથી એ થઈ જાય, શબ્દ ના હોય. એની હાજરીથી આ બધું ચાલે છે. એ ના હોય તો ના ચાલે આ બધું. ઊંચે ચઢે જ નહીં બાવો. નીચે પડી જાય ખરો પણ ચઢે નહીં.

પ્રશ્નકર્તા : આ પ્રજ્ઞા એને ચઢાવી દે છે ?

દાદાશ્રી : પ્રજ્ઞાને લીધે ઉપર ચઢતો જાય અને પ્રજ્ઞાની ગેરહાજરીમાં પડી જાય. જાગૃતિ ગઈ કે નીચે પડ્યો. હું બોલું છું તે કામ લાગશે કે ?

પ્રશ્નકર્તા : હા, દાદા. વાત તો બહુ સ્પષ્ટ છે એકદમ. ક્લિયર સમજાય એવી છે. હવે આમાં મંગળદાસની ઈફેક્ટ જે આવે, એની બાવાને અસર કેટલી પડે છે એમ ?

દાદાશ્રી : મંગળદાસ પોતે પોતાની ઈફેક્ટ ભોગવે અને પોતાની (ઈફેક્ટ) ના હોય, બાવાની ઈફેક્ટ હોય તો બાવો ભોગવે.

પ્રશ્નકર્તા : અથવા બાવાની ઈફેક્ટ મંગળદાસ પર આવે ?

દાદાશ્રી : ઈફેક્ટ તો સામસામે આવે-જાય ખરી, પણ એની પોતાની એટલે પોતાની જ. મંગળદાસ છે તે તારી ઈચ્છા હોય તો ફેરફાર ના થાય. બાવાની ઈચ્છા હોય કે મંગળદાસમાં આવું ફેરફાર થાય તો ફેરફાર ના થાય અને મંગળદાસની ઈચ્છા હોય તોય આ બાવો ફેરફાર ના થાય.

‘હું’, ‘બાવો’, ‘મંગળદાસ’ સમજે કોણ ?

પ્રશ્નકર્તા : પણ એ જ્ઞાનની જરૂર કે જે જ્ઞાન બાવાને ‘હું’ માં બેસાડી દે ? છેલ્લું જ્ઞાન...

દાદાશ્રી : ના, એ જાણે કે આ ચંદુભાઈ હું જ છું. એનો એ જ છું ને, કહે. એટલે હવે ભટકવાનું થયું. અને ‘હું શુદ્ધાત્મા છું’ એ પ્યૉર થઈ જાય. પછી વાંધો નહીં. પ્યૉર જ્ઞાનને પોતે ‘હું છું’ એમ કહે છે. પ્યૉર જ્ઞાન, થ્રી હંડ્રેડ સિક્સટી ડિગ્રીથી જ ‘હું છું’ તે માન્યતા થઈ. ત્યાંથી જેટલો આગળ આવ્યો, તેમાં ત્રણસો પિસ્તાળીસ ડિગ્રીએ આવે ત્યારથી એ જ્ઞાની પુરુષ કહેવાય.

પ્રશ્નકર્તા : હવે બાવાની શુદ્ધ સ્થિતિ થવી, એમાં મંગળદાસ ગમે તેવો હોય ?

દાદાશ્રી : મંગળદાસને આપણે શું લેવા-દેવા ? મંગળદાસ તો એની ડિઝાઈન બદલાય જ નહીં ! ઈફેક્ટ થઈ ગયેલી. ડિઝાઈનેબલ (અન્ચેન્જેબલ) ઈફેક્ટ થઈ ગયેલી છે એ. તે નાનપણમાં જન્મ પહેલાં થઈ ગયેલી. તે બદલાય નહીં, આ બદલાય.

પ્રશ્નકર્તા : બાવા પાસે જેટલું અજ્ઞાન છે એટલી અસર કરે ને, એને?

દાદાશ્રી : તેટલું જ.

પ્રશ્નકર્તા : અને એ વિજ્ઞાનમાં આવી ગયો તો અસર ના થવા દે?

દાદાશ્રી : ત્રણસો સાઠવાળાને તો થાય જ નહીં.

પ્રશ્નકર્તા : ના થાય. એટલે ખરેખર મંગળદાસની અસર બાવા ઉપર આવી શકે એવું નથી. આની (બાવાની) અણસમજણ હોય એટલી અસર પેલાની (મંગળદાસ) આવે.

દાદાશ્રી : નહીં તો અસર આવે જ નહીં.

પ્રશ્નકર્તા : બરોબર. અને આપ જે વાત કરો છો ને, આપ એ પ્યૉર જ્ઞાનની વાત કરો છો કે પેલી એકેય અસર સ્વીકારવાની જ નથી હોતી બાવાએ.

(પા.૧૯)

દાદાશ્રી : પછી ?

પ્રશ્નકર્તા : એટલે એમ કે આપને જે વચ્ચેનું બાવાનું પદ છે તે એટલું એની સમજણમાં કેવળદર્શન છે, એટલે એકદમ પ્યૉર દર્શન આખું બાવાને મળી ગયું છે. તેથી મંગળદાસની કોઈ અસર આપને અડે જ નહીં.

દાદાશ્રી : હા.

ખુલ્યું રહસ્ય અક્રમ વિજ્ઞાન થકી

આ તો વાત નીકળી જાય એટલી સાચી, બાકી નહીં તો નીકળે નહીં. દ્રષ્ટિ વગર નીકળતી નથી કોઈ દહાડો. આ તો તમારે લીધે હું કહું છું.

પ્રશ્નકર્તા : પણ અક્રમ વિજ્ઞાને આખું રહસ્ય જ્ઞાન ખુલ્લું કર્યું અંતરનું.

દાદાશ્રી : ખુલ્લું થયેલું જ નહીં. આ તો ઠેઠ સુધી બધું પગલે પગલું ભરેલું.

પ્રશ્નકર્તા : આ શાસ્ત્રમાં કે કોઈ આવું અંદરનું બતાડી નથી શક્યું.

દાદાશ્રી : હોય જ નહીં ને, જાણે જ નહીં ને !

પ્રશ્નકર્તા : આત્મા છે ને પુદ્ગલ છે બધું, બસ.

દાદાશ્રી :ઠેઠ સુધી એ હોય અને જાણે ત્યારે આ બોલે નહીં. આ તો બોલતો નહીં કોઈ દહાડો, આજે જ બોલ્યો. કારણ કે અમે સંપૂર્ણ દશામાં રહીએ, ત્રણસો સાઠ એકલામાં. એ બેમાં ના રહીએ. ત્રણસો છપ્પને દર્શન થાય અને ત્રણસો સાઠ છે તે એમાં અમે રહીએ, એટલે આ દર્શન કરનારને બહુ ફાયદો છે ! અત્યારે વાત કરતી વખતે એવો ફાયદો ના થાય.

૩૫૬ પહોંચવા નડી અટકણ, ‘હું કંઈક છું’

પ્રશ્નકર્તા : હવે આપને પચાસ વર્ષે જ્ઞાન થયું એટલે તમે થ્રી ફિફ્ટી સિક્સ ડિગ્રીએ પહોંચી ગયા. પણ જ્યારે જ્ઞાન નહોતું થયું, ઓગણપચાસ વર્ષની ઉંમરે ત્યારે આપ ક્યાં હતા ?

દાદાશ્રી : જ્ઞાન પહેલાં બાય રિલેટિવ વ્યુ પોઈન્ટ અમારી ટુ સિક્સ્ટી ફાઈવ ડિગ્રી હતી અને ‘નિયર રિયલ’ થ્રી ફોર્ટી ફાઈવ હતી.

રિયલ થ્રી હંડ્રેડ સીક્સ્ટી ડિગ્રી હોય પણ અત્યારે ‘એ’ ત્યાં (૩૫૬ ડિગ્રી) સુધી આવ્યા છે. આ હવે નજીકમાં છે એટલે જણાવીએ છીએ કે શું ડિગ્રી પર છીએ. હવે થોડા વખત પછી રિયલ થવાના જ છે. આ ઈફેક્ટ રહેલી છે. બાકી રિયલી છે તે કોઝમાં તો આ થઈ જ ગયેલા છે. આ રિલેટિવ અમારું આવ્યું છે.

પ્રશ્નકર્તા : આપને થ્રી ફિફ્ટી સિક્સ ડિગ્રી સુધી પહોંચવામાં સૌથી મોટામાં મોટી કઈ અટકણ હતી કે કઈ વિકનેસ (નબળાઈ) હતી ?

દાદાશ્રી : ઈગો, ઈગોઈઝમ, ‘હું કંઈક છું’ એવું !

ત્રણસો ત્રણ ડિગ્રી આવ્યા હોય ને એ બાવો. બાવો અહીં હતો, ત્યારે પહેલું કેટલું હતું ચંદુભાઈ હતું?

પ્રશ્નકર્તા : બસ્સો બે ડિગ્રી, તમે બહુ સરસ શબ્દ સમજાવવા માટે કહેલો કે બસો બે ડિગ્રી ચંદુભાઈની, ત્રણસોને સાઠ શુદ્ધાત્માના એટલે રિયલના અને ત્રણસોને ત્રણ ડિગ્રી કોની ? તો કહે કે નિયર રિયલ.

દાદાશ્રી : નિયર રિયલ. પછી એક પગથિયા હોય કે દશ પગથિયા હોય પણ નિયર રિયલ.

એ દુનિયાદારીનો દાખલો આમાં તમને

(પા.૨૦)

સમજાવવા માટે કહ્યું. એટલે તમે ચંદુભાઈ હતા અને ડૉક્ટર હતા, ત્યાં સુધી ચંદુભાઈ ડૉક્ટર છું હું.

પ્રશ્નકર્તા : બરાબર.

દાદાશ્રી : પણ પછી મેં કહ્યું કે ના, ચંદુભાઈ ડૉક્ટર ખરા પણ બાય બોડી ને એ બધાથી, ફીઝિકલમાં. હવે તમે શુદ્ધાત્મા છો. ત્યારે ‘તમને’ શુદ્ધાત્મા ને ‘હું ચંદુભાઈ’ને આવું પદ ! તમને એ ખ્યાલ આવવા માંડ્યો એટલે મેં કહ્યું કે ‘ના, શુદ્ધાત્મા થયા નથી, થઈ રહ્યા છો.’ એ વચલું સ્ટેજ બાવાનું આપ્યું.

પ્રશ્નકર્તા : બરાબર. વચલું સ્ટેજ બાવાનું આપ્યું. હા, સમજ પડી.

કઈ ડિગ્રીએ, જ્ઞાની પદ - ભગવાન પદ ?

દાદાશ્રી : મંગળદાસને, બાવાને, બધાને જે જાણે તે ‘હું’. ત્રણસો સાઠ ડિગ્રીનો જ્ઞાની છે, તે ‘હું’ કહું છું. પણ ‘જ્ઞાની’ એ ‘હું’ નથી.

પ્રશ્નકર્તા : બાવો તે ‘હું’ નહીં ?

દાદાશ્રી : ના, ‘જ્ઞાની’ એય ‘હું’ નહીં, પણ ‘હું’ બધાને જાણું છું. ત્રણસો સાઠ ડિગ્રીનો ‘જ્ઞાની’ છે, તેને પણ જાણું છું.

પ્રશ્નકર્તા : એવું કોણ કહે છે, ‘હું’ ?

દાદાશ્રી : ‘હું’ કહે છે.

પ્રશ્નકર્તા : અને બાવો ?

દાદાશ્રી : ‘ત્રણસો સાઠ ડિગ્રીનો જ્ઞાની છું’ એમ બોલે છે તે.

પ્રશ્નકર્તા : ત્રણસો સાઠ ડિગ્રી બોલે છે ?

દાદાશ્રી : અમે નથી કહેતા, ‘બાવો’ થઈને, કે હું ત્રણસો છપ્પન ડિગ્રીનો જ્ઞાની છું ?

પ્રશ્નકર્તા : ‘હું ત્રણસો ઓગણસાઠ ડિગ્રીનો જ્ઞાની છું’, એવું બોલે છે તે બાવો ?

દાદાશ્રી : તેય બાવો.

પ્રશ્નકર્તા : એને જાણે છે તે જ ?

દાદાશ્રી : તે મૂળ.

પ્રશ્નકર્તા : મૂળ એ ‘હું’ કીધું ?

દાદાશ્રી : મૂળ એ ‘હું.’ જ્યાં શબ્દ પહોંચે નહીં ત્યાં ‘હું.’ છતાં બધું એમાંથી ઉદ્ભવ થાય છે. તને બાવો દેખાય છે ને ? બાવો ઊડીને એ મૂળ જોડે અભેદ થઈ જાય. એટલે પછી આ બાવો ઊડી ગયો ! બાવો અને હું, બેની વચ્ચે જે પડ છે એ પડ નીકળી જાય એટલે હું થઈ ગયો.

પ્રશ્નકર્તા : એ શું પડ છે ?

દાદાશ્રી : એ જ પડ, પેલી મૂળની ચોંટ છે ફક્ત, દરઅસલ ચોંટ. એ ચોંટ નીકળી ગઈ એટલે ઊડી ગયું. એ પદને આવતા વારેય ના લાગે.

પ્રશ્નકર્તા : એ પદ ક્યારે આવે, દાદા ?

દાદાશ્રી : ત્રણસો સાઠ ડિગ્રી થાય ત્યારે.

પ્રશ્નકર્તા : ત્રણસોને ઓગણસાઠ સુધી બાવો અને ત્રણસો સાઠ થઈ જાય એટલે બાવો ખલાસ !

દાદાશ્રી : પછી તો ભગવાન થયો ! એ ત્રણસોને ઓગણસાઠ સુધી જ્ઞાની. એટલે ત્રણસોને પિસ્તાળીસથી ઉપર ત્રણસો ઓગણસાઠ સુધી એ જ્ઞાની કહેવાય. પણ બાવામાં જ જાય બધાય.

અમે બધા સ્ટેશનો જોયેલા. તમારે બધા સ્ટેશનો જોવા પડશે.

‘હું કેવળજ્ઞાન સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું.’

અમારે ‘દાદા ભગવાન’ના દર્શન કરવા છે (અરીસામાં જોઈને બોલે છે). આ દેહધારી દેખાય

(પા.૨૧)

તે દાદા ભગવાન ! એવું છે ને, ત્રણસો પંચાવન ડિગ્રી થાય ત્યારથી તે ત્રણસો સાઠ ડિગ્રી સુધી બધા ભગવાન જ કહેવાય!

પ્રશ્નકર્તા : એટલે આ બાજુ બાવો ત્રણસો પિસ્તાળીસ કે ત્રણસો પચાસ હોય અને આ બાજુ ‘હું’ ત્રણસો સાંઠ હોય એવું બન્ને એટ એ ટાઈમ (તે જ સમયે) બની શકે છે ?

દાદાશ્રી : હોય ને ! એ જ અમારું છે.

પ્રશ્નકર્તા : એટલે બાવો ત્રણસો છપ્પને છે ?

દાદાશ્રી : હા, બાવો ત્રણસો છપ્પન ડિગ્રીએ છે.

પ્રશ્નકર્તા : અને તમે ત્રણસોને સાઠે ?

દાદાશ્રી : ‘હું’ ત્રણસો સાઠ ઉપર અને તીર્થંકરનું બેઉ ત્રણસો સાઠ.

પ્રશ્નકર્તા : કેવળીઓનુંય બેઉ ત્રણસો સાઠ ?

દાદાશ્રી : કેવળીઓનું બેઉ ત્રણસોને સાઠ હોય કે ના પણ હોય, પણ તીર્થંકરને તો બેઉ ત્રણસો સાઠ.

ભેદ, ત્રણસો સાઠ ને ત્રણસો છપ્પન ડિગ્રીનો

પ્રશ્નકર્તા : તીર્થંકરોની ત્રણસોને સાઠ ડિગ્રી અને આપની ત્રણસો છપ્પન ડિગ્રીની, તે ભેદ સમજાવશો.

દાદાશ્રી : ત્રણસો સાઠવાળા છે તે આવું બોલે નહીં, ‘હેંડો તમને મોક્ષ આપું.’ અને જો હું તો ખટપટ કરું છું ને ! ‘હેંડો મોક્ષ આપું.’ ઓહોહો, મોટા મોક્ષ આપવાવાળા આવ્યા ! સંડાસ નથી થતું ત્યારે જુલાબ લેવો પડે છે ! એવું છે ને, કશું બોલે નહીં, એ વીતરાગ. અને અમે ખટપટિયા વીતરાગ !

એટલે અમારે અંબાલાલ રહ્યું નામ, અમે બાવામાંથી નીકળી ગયા અને થોડું બાવાપણું રહ્યું છે, તે આ ખટપટ કર્યા કરીએ. શા હારુ ખટપટ ? ત્યારે કહે, હું જે સુખ ભોગવું છું, એવું સુખ તમને હો.

હવે જીવન એવું સરસ કાઢવાનું. હમણે બાવો જે છે આપણી જોડે, તેને કહી દેવાનું કે ‘જીવન એવું કાઢો કે આમ અગરબત્તી જેવું.’ અગરબત્તી જીવન કાઢે છે, શું એનો ધંધો ? પોતે બળીને બીજાને સુખ આપવું. એટલે એની જિંદગી નકામી ના ગઈ. સારી, ચોખ્ખી ગઈ. અગરબત્તી જેવું, એ સમજાવવું. અને અગરબત્તી જેવું થાય એવું છે. માલ એવો બધો ને સુગંધીવાળા માણસો હોય. બીજું કંઈ જોઈતું નથી, દુનિયામાં કોઈ ચીજ જોઈતી નથી. પણ એય ભાવ છે ને ! ભાવ છે ત્યાં સુધી એ ડિગ્રી ઓછી. કંઈ પણ ભાવ છે ત્યાં સુધી વીતરાગ સંપૂર્ણ નહીં. એટલે ચાર ડિગ્રી અમારી ઓછી છે. અને પેલા (કેવળજ્ઞાની) તો કશું બોલે નહીં. ઊંધામાં ઊંધું થતું હોય તોય એ જુએ કે આ ઊંધું થઈ રહ્યું છે, તોય ના બોલે. અક્ષરેય બોલે નહીં, વીતરાગ. આપણને કામ લાગે પેલા ખટપટિયા.

પ્રશ્નકર્તા : દાદા, ત્રણસો સત્તાવન, અઠ્ઠાવન ને ઓગણસાઠનું શું પછી?

દાદાશ્રી : એ તો ડિગ્રી પછી વધતી હોય ને, એ દશા બહુ ઓર ઊંચી હોય ! એ દશા ઘણી ઊંચી હોય.

પ્રશ્નકર્તા : અમને કંઈક જરા ઉતરે એવું કહોને ?

દાદાશ્રી : એ જેમ જેમ આવશે ને, ત્યારે સમજાશે.

પ્રશ્નકર્તા : ત્રણસો સાઠવાળાને આ જગત કેવું દેખાય ?

(પા.૨૨)

દાદાશ્રી : કોઈ જીવ દુઃખી છે નહીં, કોઈ સુખી છે નહીં, કોઈ દોષિત નથી. બધું રેગ્યુલર જ છે. સર્વ જીવો નિર્દોષ જ દેખાય. અમનેય નિર્દોષ દેખાય છે. પણ અમને શ્રદ્ધામાં નિર્દોષ દેખાય છે, શ્રદ્ધામાં અને જ્ઞાનમાં. ચારિત્રમાં નથી એટલે અમે બોલીએ કે ‘આ તેં ખોટું કર્યું, આ આનું સારું.’ સારું-ખોટું બોલે છે ત્યાં સુધી વર્તનમાં નિર્દોષ નથી દેખાતા. પણ અમને શ્રદ્ધામાં નિર્દોષ દેખાય છે ખરા, પણ એ હજુ વર્તનમાં આવ્યું નથી. તે વર્તનમાં આવશે ત્યારે ત્રણસો સાઠ પૂરી થઈ જશે અમારી. આ મનમાં કશુંય નહીં અમારે, રાગ-દ્વેષ જરાય નહીં, વાતોમાં બોલીએ.

બાવાની ગેડ પડતા બધા શાસ્ત્રો ભણ્યા

હવે આ વિજ્ઞાન તો શાસ્ત્રોમાં શી રીતે જડે ? કોઈ જગ્યાએ હોય નહીં. આ તો દસ લાખ વર્ષે આ પ્રગટ થાય, ત્યારે આ બહાર પડી જાય. કેવળજ્ઞાનને જાણે ત્યારે બોલવાનું રહે નહીં. ખટપટિયા ના હોય ને ! જાણે પણ ખટપટ કરે નહીં. જે જાણતા હોય નહીં, એ ખટપટ શી રીતે કરે? હું તો જાણું અને ખટપટેય કરું અને તાવેય પૂછું, ક્યારનો તાવ આવે છે? અને હું જાણુંય ખરો, કે પૂછનાર કોણ, તાવ કોને આવે છે, એ બધું જાણું!

બાવો સાંભળ્યો તમે ? આખું જ્ઞાન નીકળી ગયું મારું !

પ્રશ્નકર્તા : છેલ્લું બધાંને મળી ગયું !

દાદાશ્રી : હા, મળી ગયું. એ કો’ક દહાડો નીકળી જાય ને, તે ખરેખર નીકળી જાય. એવો વરસાદ વરસે, એક જ વરસાદથી પાકે એવો બધો વરસાદ વરસે. ચારેય મહિના એક જ વરસાદથી પાકી જાય, નહીં તો ચારેય મહિના વરસાદ વરસે તોય પાક ના થાય, મીઠાં પાણી નહીં ને ! મીઠો વરસાદ તો એક ફેરો વરસે, એવું આ પડ્યું.

બાવાની વાત તમને સમજાઈ, એક્ઝેક્ટ ? તો બધા શાસ્ત્રો ભણી ગયા. આ જે દાખલો આપ્યો ને, એમાં તમામ શાસ્ત્રોનો સાર આવી જાય છે. આટલું જો સમજણ પડી જાય ને, કે કેટલે, ક્યાં આગળ એની ડિમાર્કેશન લાઈન (ભેદરેખા) આવી ! ત્યારે કહે, જ્યાં સુધી ફિઝિકલ છે ત્યાં સુધી મંગળદાસ છે.

આ વાત દુનિયામાં બહાર પડેલી નથી. પહેલી વખત બહાર પડે છે. મારી ભાવના ખરી, પણ એને શી રીતે કહેવું ? આવું કહેવાય શી રીતે ? સમજણ શી રીતે પડે તમને ? બાવો કોણ ને મંગળદાસ કોણ ને હું કોણ? એટલે હું, બાવો, મંગળદાસમાં બધું ફીટ થઈ ગયું.

‘બાવો’ શુદ્ધ થતા ‘હું’ થયો કમ્પ્લિટ

રિયલ માટે તમારે કશું કરવાનું નહીં. આ આટલું છે તે ચંદુભાઈ કરે અને રિલેટિવ શુદ્ધ થતું જાય. રિલેટિવ શુદ્ધ થતું જાય, એટલે ‘બાવાજી’ શુદ્ધ થતા જાય. અત્યારે એ ‘બાવાજી’ સંપૂર્ણ શુદ્ધ ના કહેવાય. ‘બાવાજી’ સંપૂર્ણ શુદ્ધ થઈ રહેશે ત્યારે ‘હું’ શુદ્ધ થશે, કમ્પ્લિટ શુદ્ધ. ‘હું’ પણ ભગવાન!

અત્યારે ‘હું’ જ્ઞાન સ્વરૂપ, પછી ‘હું’ વિજ્ઞાન સ્વરૂપ પ્રગટ થશે ! એટલે તમારે આ એવું જ બેઠું છે. આ બાવો શુદ્ધ થતો જાય છે અને જ્યારે તે ‘હું’ એ શુદ્ધ, એ ચોખ્ખું થઈ ગયું, તો એ ‘હું’ થઈ ગયો કમ્પ્લિટ!

પ્રશ્નકર્તા : પછી ‘હું’ વિજ્ઞાન સ્વરૂપ થતું જાય.

દાદાશ્રી : જ્યાં સુધી બોલે છે, ત્યાં સુધી જ્ઞાન સ્વરૂપ છે.

પ્રશ્નકર્તા : હંઅ. ‘હું’ બોલે છે ત્યાં સુધી જ્ઞાન. ‘હું’ સાંભળ્યા કરે અને જ્ઞાન બોલ્યા કરે.

(પા.૨૩)

દાદાશ્રી : જ્ઞાનેય પછી બોલવાનું બંધ થઈ જાય, એ વિજ્ઞાન. વિજ્ઞાન પછી અવાજ-બવાજ ના હોય, પૂર્ણાહુતિ, પૂર્ણ દશા !

પ્રશ્નકર્તા : એટલે ત્રણસો સાઠ ડિગ્રી કહે છે તે વિજ્ઞાન સ્વરૂપ ?

દાદાશ્રી : હા, એ થ્રી સિક્સ્ટી (ત્રણસો સાઠ) થયા પછી બોલ, શબ્દ ના હોય.

પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન બોલે છે અને ‘હું’ સાંભળ્યા કરે, તેમ ડિગ્રીઓ વધતી જાય.

દાદાશ્રી : વધતી જાય.

શબ્દો છે ત્યાં સુધી અમે બાવા છીએ. પણ શબ્દ જુદો છે, આ રિલેટિવ છે અને રિયલમાં શુદ્ધ, વિજ્ઞાન છે. અમે બે બાજુ છીએ. એક વિજ્ઞાન સ્વરૂપ છે અને બાવા સ્વરૂપે છે એ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન રિલેટિવ છે અને પેલું વિજ્ઞાન રિયલ છે. આ અમારું રિલેટિવ બંધ થયું કે પેલું પૂરું થઈ ગયું. રિલેટિવ એકાદ-બે અવતારમાં બંધ થઈ જાય એટલે પેલું પૂરું થઈ જાય. એટલે ‘અમે’ વિજ્ઞાન જ છીએ, પણ અત્યારે જ્ઞાન સ્વરૂપ છીએ, બાવાજી. હું, બાવો ને મંગળદાસ.

પ્રશ્નકર્તા : અચ્છા ! રિલેટિવ છૂટ્યું અને બાવા સ્વરૂપ થયું અને એ બાવા સ્વરૂપ વધતું વધતું રિયલ થાય છે ?

દાદાશ્રી : રિયલ થઈ જાય છે.

પોતાને સમજાતું જાય ધીમે ધીમે. મંગળદાસનું પદ છૂટ્યું જ છે. હવે ‘હું’ ને બાવો રહ્યા.

પ્રશ્નકર્તા : હવે ‘હું’ ને બાવો, તો ‘હું’ બાવાને જ્ઞાન વધારવામાં હેલ્પ કરે, એવું બને છે ?

દાદાશ્રી : ના. (કેવળજ્ઞાન સ્વરૂપ આત્મા કેવળ પ્રકાશક જ છે.)

પ્રશ્નકર્તા : તો બાવાનું જ્ઞાન કેવી રીતે વધે છે ?

દાદાશ્રી : જેમ જેમ કર્મ છૂટતા જાય તેમ. ફાઈલનો નિકાલ થતો જાય. અને તે કોણ નિકાલ કરે છે ? વ્યવસ્થિત.

પ્રશ્નકર્તા : વ્યવસ્થિત નિકાલ કરે, બરોબર. એટલે એના ટાઈમે બધું ભેગું થાય ત્યારે નિકાલ થયા કરે.

દાદાશ્રી : ઈફેક્ટનો નિકાલ થતો જ રહ્યો છે. હવે કોઝીઝ ઉત્પન્ન થતા નથી.

જ્ઞાનીની કરુણા

દુનિયામાં બીજા બધા ભેગા થાય પણ હું, જ્ઞાની, અંબાલાલ ભેગા ના થાય. ‘હું’ કોણ ? ‘હું’ એ ‘દાદા ભગવાન’ છે, આ જ્ઞાની છે અને અંબાલાલ એ ‘પટેલ’ છે. હું, જ્ઞાની, અંબાલાલ ભેગા ના થાય. આ જોગ બેસે નહીં, બીજા બધા જોગ બેસે. ભગવાન પોતે હાજર ના થાય. આ થઈ ગયા તે. આખા બ્રહ્માંડના ભગવાન હું કહું છું, એની ગેરેંટી આપું છું. આ જેટલો સાંધો મેળવી લે એટલો એના બાપનો !

ખરી રીતે આ ત્રણ ભેદ તો હું પાડું છું. હું, જ્ઞાની અને અંબાલાલ - આ ત્રણ ભેદ પાડું છું એની પાછળ કરુણા છે. ખરી રીતે બે જ ભેદ છે - દાદા ભગવાન અને અંબાલાલ, બે જ છે. પણ ત્રણ પાડવાનું શું કારણ કે આ દુષમકાળના જીવ છે તે શંકાવાળા છે. વગરકામની શંકાઓથી એનું બગડે ઊલટું. એટલે આ જુદા પાડ્યા, શંકા ઊભી ના થાય ને !

આ એને ઠંડક રહે. હવે એનું ગાંડપણ ઊભું

(પા.૨૪)

ના થાય એટલા હારુ. ખરી રીતે બે જ છે આ. કૃપાળુદેવે તો કહ્યું છે, ‘જ્ઞાની પુરુષ એ દેહધારી પરમાત્મા જ છે.’ પણ આ ત્રણ ભાગ પાડ્યા છે, એનું કારણ કરુણા છે એની પાછળ ! અહીંથી ભાગી ના જાય, અહીં આવેલો રખડી ના મરે.

સાચી સમજણે સિદ્ધાંત થાય પૂર્ણ

પ્રશ્નકર્તા : અત્યાર સુધી તો મને ખબર જ ન હતી કે હું, બાવો ને મંગળદાસ, લોકો કેમ કહે છે ?

દાદાશ્રી : આ એટલા માટે સમજણ પાડું છું. જ્ઞાનીની દ્રષ્ટિએથી સમજીએ તો કલ્યાણ થઈ જાય.

પ્રશ્નકર્તા : બહુ જ ઊંચો દાખલો છે, હું-બાવો-મંગળદાસનો.

દાદાશ્રી : મહાત્માઓય ખુશ થઈ જાય છે ને ! અમે બાવા જ છીએ, કહે. તમેય બાવા છો, અમેય બાવા. તમે સાંભળનારા બાવા, અમે બોલનારા બાવા. આ તો તમને સિદ્ધાંત પૂરો કરવા માટે બોલી રહ્યો છું. તેય તમને સમજણ પડી ગઈ કે આ એટલા હારુ બોલું છું. જાતને લક્ષમાં રાખીને બોલ્યા. બાવો બોલ્યો ખરો પણ જાતને લક્ષમાં રાખી.

પુદ્ગલ પણ થાય ભગવાન

આ સંસાર એટલે શું છે ? ડેવલપમેન્ટનો પ્રવાહ છે એક જાતનો. એટલે એ પ્રવાહ એવો ચાલ્યા કરે છે. તેમાં શૂન્યતાથી માંડી અને ડેવલપમેન્ટ વધતું જ જાય છે. એ ડેવલપમેન્ટ શું થાય છે ? ત્યારે કહે, આત્મા તો મૂળ જગ્યાએ ઊભો છે, પણ આ વ્યવહાર આત્મા એટલો બધો ડેવલપ થતો જાય છે કે મહાવીર ભગવાન થયા, એ પુદ્ગલ ભગવાન થયું. એ માન્યામાં આવે, પુદ્ગલ ભગવાન થયું ?

પ્રશ્નકર્તા : હા, થયું જ ને ! થાય જ છે ને, જોવાય છે.

દાદાશ્રી : અમારું પુદ્ગલ ભગવાન પદ પુરું દેખાડે એવું નથી, એટલે અમે ના કહીએ છીએ. ભગવાન નથી અમે. પણ આ પૂરું દેખાડે એવું નથી એનો અર્થ શું ? ‘આવો ચંદુભાઈ’, એવું આમને બોલાવીએ એ બધું શું છે? ભગવાનના લક્ષણ છે આ ? બીજું અમે કો’ક ફેરો ભારેય શબ્દ બોલી જઈએ. અમને પોતાનેય સમજાય કે આ ભૂલ થઈ રહી છે, એ પૂરી રીતે સમજાય. એક વાળ જેટલું એવું નથી જતું કે જે અમને અમારી ભૂલ ન દેખાય. ભૂલ થાય પણ તરત ખબર પડી જાય. (ભૂલ થાય) એ ડેવલપમેન્ટ કાચું, ભગવાન થવા માટેનું. એટલે અમે ના કહીએ. ભગવાન થવું એટલે બધા આચાર-વિચાર, બધી ક્રિયા ભગવાન જેવી જ લાગે. એ શું થઈ ગયું? આત્મા તો આત્મા જ છે પણ એ દેહ ભગવાન થયો, એનું નામ જ ડેવલપમેન્ટ. અત્યારે તમે આટલા ડેવલપમેન્ટ સુધી આવ્યા છો. હવે દેહ ભગવાન થાય એવું ડેવલપમેન્ટ બાકી રહ્યું, તે એવું જ થઈ રહ્યું છે. લોકોનું (બધા મહાત્માઓનું) એવું જ થઈ રહ્યું છે. એમાંથી કેટલાક ઉતરીય જાય, સંજોગો અવળા બાઝે તો ! અમે રોજ અમારું જોઈએ કે એક અક્ષરેય કોઈના માટે વિરોધ ના હોય અમને. બિલકુલેય ના ફાવતું હોય, ગમે તે અવળું બોલે તોય પણ એના માટે વિરોધ ના હોય.

બાવો ઊભો, મંગળદાસનું ઉપરાણું લેતા

પ્રશ્નકર્તા : બાવાએ બાવાનું અસ્તિત્વ ખતમ કરવા શું કરવું?

દાદાશ્રી : અસ્તિત્વ ઉત્પન્ન થાય એવું છે જ નહીં હવે. જો બાવાના પક્ષમાં ના બેસીએ તો બાવાને છોકરા થવાના નથી. કોઈ ગાળ ભાંડે ‘તને’, તે ઘડીએ તું ઉપરાણું ના લઉ પોતાનું.

(પા.૨૫)

એટલે ફરી થવાના જ નહીં.

મંગળદાસનું જો ઉપરાણું લઈએ તો આપણે બાવા જ રહેવાના અને બાવાનું ઉપરાણું લઈએ તો આપણે ફરી મંગળદાસ જ થવાના. એમને એમનો હિસાબ હોય એ મળ્યા કરવાનો, આપણે જોયા કરવાનું. શું બને છે એ જુઓ એ જ આપણો માર્ગ !

આ કહે છે, ‘અમારા દોષો કેમ દેખાડતા નથી ?’ મેં કહ્યું, ‘જોવામાં આવે તો દેખાડીએ ને ?’ અમારા હાથમાં આવે, તો એ ફાઈલ કાઢીએ. હાથમાં ના આવે, એટલે મેં જાણ્યું કે દોષો કાઢી નાખેલા હશે. એ જ્યારે આવે ત્યારે પાછા દેખાડી દઈએ.

પોતાની ભૂલ પોતાને જ્યારે દેખાશે ત્યારે ડિસીઝન (નિર્ણય) આવી ગયું. હવે બહુ ટાઈમ બાવા તરીકે રહેશે નહીં. હવે ભગવાન થઈ જવાનો. પોતાની ભૂલ પોતે જુએ ત્યારથી એ ભગવાન થવાની તૈયારી થાય.

એટલે ‘મને ગાડીમાંથી ઉતારી પાડે તો શું થાય’ એ જોઈ લેવું.

પ્રશ્નકર્તા : બરાબર, દાદા. સામાની પોઝિશન (સ્થિતિ)માં આવી જવાનું તરત.

દાદાશ્રી : હા. સામા જોડે ભૂલ થઈ હોય, તે પાછું વાળી લેવું. છતાં એ એમની મેળે ગૂંચાય તેના માટે આપણે જવાબદારી નહીં. આપણે લીધે ગૂંચાય તો આપણી જોખમદારી. કેટલીક ભૂલો દેખાડાય નહીં. અને હું તો એવો નિયમવાળો છું કે પૂછું એમને કે ‘તમને ભૂલો કહીશ તો તમને તાવ નહીં ચડે ને ?’ ત્યારે કહે, ‘ના દાદા, એ તો મારે તમારી પાસે જાણવું છે, તમારી જોડે જ.’ એટલે હું દેખાડી દઉં. હવે તાવ ચડવાનો જ ક્યાં રહ્યો છે ? બાવા મટી જવું જ છે ત્યાં. અને બાવા છો ત્યાં સુધી ભૂલ થવાનો સંભવ છે.

પ્રશ્નકર્તા : તમારે મનેય કહેવાનું, દાદા. કારણ કે હજુ કંઈક પુદ્ગલમાં એવી ખામી હોય કે સ્થૂળ દેખી શકાય, પણ સૂક્ષ્મ કંઈક હોય તો ખબર નહીં પડે.

દાદાશ્રી : બરોબર છે. ઘણા દેખાતા થઈ ગયા છે. પણ હજુ મહીં અમુક અમુક રહે. એ પછી અમે કહી આપીએ. આપણે તો કોઈ પણ રીતે બાવાપણું મટાડવું છે. બાવાપણું છૂટી જવું જોઈએ. અનંત અવતાર આ ધંધો માંડ્યો હતો. હવે જે તે રસ્તે છૂટવું જ છે. આપણો બધાનો દ્રઢ નિશ્ચય છે.

હું ભૂલ વગરનો થયો તો બીજાને ભૂલ દેખાડી શકું છું. તમને તમારી ભૂલ હજુ જડતાં વાર લાગશે. પોતે કરે ને પોતે જાણે એ મુશ્કેલ છે. મેં જ્ઞાન આપ્યું એટલે જાણતા થયા, કે પોતે કોણ છે ? બાવો તો એ જાણે જ નહીં ને! તમે ‘હું’ છો, તો બાવાની બધી ભૂલો જોઈ શકો. પણ હજુય કેટલોક વખત બાવા થઈ જાવ છો ને !

પહોંચ્યા પરમાત્માના પોર્ચમાં

પેલી માન્યતા બરોબર ફીટ થઈ કે પછી ? બાવાથી જુદા તમે પ્યૉર છો અને હંડ્રેડ પરસેન્ટ (સો ટકા) પ્યૉર સ્વરૂપ, ભગવાન ! હવે પરસેન્ટ એ વધવાના છે ધીમે ધીમે આજ્ઞામાં રહ્યા એટલે. ગર્વરસ ચાખતા બંધ થયા એટલે વધવાના. ગર્વરસ ચાખે એટલે વધે નહીં માર્ક. પેણે એ ત્યાં જ રહે, ઉલ્ટો માર ખાઈ જાય. કારણ કે ના ખાવાની ચીજ ખાધી. ઊલટી કરવાની ચીજ હતી એ ખઈ ગયા !

પ્રશ્નકર્તા : દાદા, તમે પેલું કહ્યું ને કે આ

(પા.૨૬)

બાવો, તમે એનાથી જુદા, હંડ્રેડ પરસેન્ટ પ્યૉર એ ભગવાન અને આ મંગળદાસ તો ખરા પાછા.

દાદાશ્રી : મંગળદાસ તો હતા.

પ્રશ્નકર્તા : હા, એટલે ચાર થયા ?

દાદાશ્રી : ના, ચાર નહીં, ત્રણ જ થયા. ત્રીજું સ્ટેશન તો લાંબું સ્ટેશન છે. એટલે ઝાંપો જરા લાંબો છે. એ કંઈ ચોથું સ્ટેશન, નવું સ્ટેશન ના કહેવાય. એક સ્ટેશન હોય તે અહીંથી શરૂ થયું અને સો વાર છેટું કે એવું તેવું મોટું હોય કે સો માઈલ છેટું હોય. પણ શરૂ થયું ત્યાંથી એ સ્ટેશન કહેવાય ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એ ઝાંપો જ્યારે આવે ત્યારે બહાર નીકળાય. ભગવાન ઝાંપા આગળ છે.

પ્રશ્નકર્તા : હંઅ.

દાદાશ્રી : જ્યાં ‘એ’ ઝાંપે અડ્યો, એ ભગવાન થઈ ગયો. એટલે એક કહેવાય કે બે કહેવાય ? એક જ. અને પેલું તો સમજવાનું મનમાં કે પ્યૉર સૉલ(શુદ્ધાત્મા)નું સ્ટેશન આવી ગયું. પ્યૉર સૉલ થઈ ગયા. હવે છે તે લાંબું, વધારે છે તે ચા પીતા પીતા જઈશું.

હવે થઈ ખાત્રી મુક્તિની

આના સાંધા મળે છે કે નથી મળતા ?

પ્રશ્નકર્તા : સાંધા મળે છે.

દાદાશ્રી : જેને તાળો કહીએ છે આપણે.

પ્રશ્નકર્તા : તાળો મળે છે, લિંક જડે. બધી લિંકો બેસે છે.

દાદાશ્રી : બેસી જ જાય, એનું નામ જ્ઞાન કહેવાય. દસ જગ્યાએ બેસે ને બીજું ચાર જગ્યાએ કાચું પડે એ જ્ઞાન ના કહેવાય. પછી ના સમજણ પડે, એની વાત જુદી છે. પણ સમજણ પડે તો કામનું ને ?

કોઈ અવતારમાં જે જ્ઞાન નથી મળ્યું તે મળ્યું, એના દાખલા-દલીલ સાથે. ‘હું કોણ ? બાવો કોણ ? ને મંગળદાસ કોણ?’

બાવાને જોયો, મંગળદાસનેય જોયો. હવે આપણે આપણી જાતમાં આવ્યા, કેટલા વર્ષે !

તમને સમજાયું ને બરોબર ? હવે આપણે આપણામાં રહેવું, ‘હું’માં રહેવું. બાવો તો હતા જ. બહુ દહાડા એમાં રહ્યા. વગોવાયા, પૈણ્યા, પસ્તાયા હઉ ! ના પસ્તાયા કોઈ ?

પ્રશ્નકર્તા : આ રિલેટિવમાં તો ભરપટ ડૂબેલા હતા.

દાદાશ્રી : ભરપટ એટલે ડૂબેલા હતા તેય ડબલ ડૂબાડવાનું હોય તોય મજા આવે એવું હતું. હજુ હમણે જ બદલાયું ને ?

પ્રશ્નકર્તા : માર્ગ મળ્યો છે, એટલે હવે નીકળી જવાશે એવી ખાત્રી છે અંદર.

દાદાશ્રી : એ ખાત્રી થઈ ! ધનભાગ્ય છે ! આ વાત સમજી ગયો ને, તેનું તો કલ્યાણ થઈ ગયું ! અમે તો ‘હું, બાવો ને મંગળદાસ’ એટલું સમજી જઈએ. એમાં બધુંય શાસ્ત્ર આવી ગયું. મંગળદાસ એ બહારનું સ્વરૂપ, બાવો એટલે અંદરનું સ્વરૂપ અને હું એ આત્મા છે. મંગળદાસ નામ, બાવો પ્રતિષ્ઠિત આત્મા, અને હું એટલે મૂળ આત્મા !

બાવો જ અક્ષર પુરુષોત્તમ કહેવાય, મૂળ પુરુષોત્તમ નહીં. મૂળ પુરુષોત્તમ એ પૂર્ણ સ્વરૂપમાં જ હોય.

જો એ (બાવો) ‘હું’માં આવી જાય તો અક્રમ વિજ્ઞાનનો ધ્યેય પૂરો પડે!

જય સચ્ચિદાનંદ