અક્રમ સાયન્ટિસ્ટ ‘દાદાશ્રી’નું વૈજ્ઞાનિક બ્રેઈન

સંપાદકીય

આ કાળનું અજોડ આશ્ચર્ય, જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાન’ (દાદાશ્રી) કે જેમના નિમિત્તે એક અકલ્પનીય આધ્યાત્મિક ક્રાંતિ સર્જાઈ. કુદરતની બલિહારી તો જુઓ ! આવા કળિકાળમાં માત્ર એક કલાકના ભેદજ્ઞાન પ્રયોગે સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ કરાવી આપવી એ શું કાંઈ જેવી તેવી સિદ્ધિ કહેવાય ? એવા સિદ્ધિવાન પુરુષની અનંત અવતારોની આધ્યાત્મિક ખોજ અને પ્રયત્નોનું પરિણામ એટલે ‘અક્રમ વિજ્ઞાન.’

અક્રમ વિજ્ઞાન એ કુદરતનું અગિયારમું આશ્ચર્ય છે ! ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ એવા દાદા ભગવાન, કે જેમણે જગતને અક્રમ વિજ્ઞાનની ભેટ ધરી આ કળિકાળના જીવો પર બહુ મોટો ઉપકાર કર્યો છે. દાદાશ્રીએ વ્યવહારમાં નિશ્ચય લાવી આપીને આખું નવું જ શાસ્ત્ર ઊભું કર્યું છે. અને તે પણ સાયન્ટિફિક પાછું, જ્યાં કોઈ પણ વિરોધાભાસ જોવા ના મળે.

સાયન્ટિફિક વિજ્ઞાન કોને કહેવાય ? જે સિદ્ધાંત રૂપે હોય, જ્યાં કોઈ વિરોધાભાસ ના હોય, જે કોઈ પ્રયોગ કરે ત્યારે એક સરખું ફળ મળે. સોનામાં તાંબું, પિત્તળ, રૂપું એ બધી ધાતુઓનું મિશ્રણ થઈ ગયું હોય તો કોઈ સોની એના ગુણધર્મ ઉપરથી છૂટા પાડી આપી શકે કે નહીં ? હા, તેવી જ રીતે અનંત સિદ્ધિવાળા સર્વજ્ઞ જ્ઞાનીએ આત્મા-અનાત્માના ગુણધર્મો જાણીને એના પરમાણુએ પરમાણુનું પૃથક્કરણ કરી, બન્ને છૂટા પાડી નિર્ભેળ આત્માનો અનુભવ કરાવી આપ્યો એ જ આપણા અહોભાગ્ય કહેવાય.

અક્રમ વિજ્ઞાનીની સૈદ્ધાંતિક વાણી જે ‘દાદાવાણી’ રૂપે પ્રકાશિત થાય છે, તેને આ સપ્ટેમ્બરમાં ૨૫ વર્ષ પૂરા થાય છે. એ ઉજવણીના આનંદમાં સહભાગી થવા અક્રમ વિજ્ઞાની ‘દાદાશ્રી’ના અક્રમ વિજ્ઞાનની એક ઝાંખી સંકલિત થઈ છે. દાદા ભગવાનની આ વાણી ક્યારેક રિપીટ થતી લાગે પણ હવે આપણને તેના સૂક્ષ્મ-સૂક્ષ્મતર અર્થ જાણવા પ્રત્યે અભિગમ હોવો જોઈએ. અહો ! આ અક્રમ વિજ્ઞાનીની દશા ! અહો ! આ અક્રમ વિજ્ઞાન ! અહો ! આ પાંચ આજ્ઞા ! જ્યાં દાદા ભગવાન કહે છે કે ‘તીર્થંકરોના બધા જ આગમો આવી જાય છે, એવી આ આજ્ઞા હવે નિરંતર આરાધવી જોઈએ અને જ્ઞાનઘન આત્મા જાણ્યા પછી વિજ્ઞાનઘન આત્માને જાણવો જોઈએ.’ તો પછી પ્રમાદ શાના માટે ? આપણે દ્રઢ નિશ્ચય કરીને વિજ્ઞાનઘન આત્માને જાણવાના પુરુષાર્થમાં લાગી જવું જોઈએ.

આપણે સહુ મહાત્માઓ દાદાશ્રીની અંતરંગ દશાને સમજી, આજ્ઞા પાલનના પુરુષાર્થ થકી અનુભવના સોપાનો ચઢી, આ વિજ્ઞાન હૃદયગત કરી પોતાના સ્વપદનો સ્પષ્ટ અનુભવ કરીએ એ જ અભ્યર્થના.

~ જય સચ્ચિદાનંદ.

(પા.૪)

અક્રમ સાયન્ટિસ્ટ ‘દાદાશ્રી’નું વૈજ્ઞાનિક બ્રેઈન

વિજ્ઞાન એટલે કૅશ બેન્ક

આ અક્રમ વિજ્ઞાન બહુ સાયન્ટિફિક છે, વિજ્ઞાન છે. વિજ્ઞાન કોને કહેવાય ? જે સિદ્ધાંતરૂપે હોય. સિદ્ધાંત એટલે વિરોધાભાસ ના હોય. અને રોકડું ફળ મળવું જોઈએ, ઉધાર ના ચાલે. આમ કર્યું એટલે બીજે દહાડે એનું ફળ મળવું જ જોઈએ. અત્યારે તમે મારી જોડે અહીં બેઠા છો, તેય રોકડું ફળ મળે. અહીંનું જે કરો, એ બધું રોકડું ફળ મળે, ઉધાર નામેય નહીં, એનું નામ વિજ્ઞાન કહેવાય. હવે અહીંનો એક ધક્કો તમે ખાવ તો તમને રોકડું ફળ મળ્યા વગર રહે નહીં. આ તો વિજ્ઞાન છે, જ્યાંથી તમે પકડો ત્યાંથી તાળો મળે.

સાયન્સ છે આ તો. આખા વર્લ્ડમાં કોઈ જગ્યાએ આ સાયન્સ ઉત્પન્ન થયું નથી. ધીસ ઈઝ ધી કેશ બેન્ક ઑફ ડીવાઈન સોલ્યુશન ! પહેલી જ વખત આ બહાર પડે છે લોકોમાં !

દાદા છે વર્લ્ડની ઑબ્ઝર્વેટરી

આ તો બધી મેં પૃથક્કરણ કરેલી વસ્તુઓ છે, ને તે આ એક અવતારની નથી. એક અવતારમાં તો આટલા બધા પૃથક્કરણ થાય ? એંસી વર્ષમાં કેટલાંક પૃથક્કરણ થાય તે ? આ તો કેટલાય અવતારનું પૃથક્કરણ છે, તે બધું આજે હાજર થાય છે.

પ્રશ્નકર્તા : આટલા બધા અવતારોનું પૃથક્કરણ એ અત્યારે ભેગું થઈ કેવી રીતે હાજર થાય ?

દાદાશ્રી : આવરણ તૂટ્યું એટલે. મહીં જ્ઞાન તો છે જ બધું. આવરણ તૂટવું જોઈએ ને ? સિલકમાં જ્ઞાન તો છે જ, પણ આવરણ તૂટે એટલે પ્રગટ થઈ જાય !

બધા જ ફેઝીઝનું જ્ઞાન મેં ખોળી કાઢેલું. દરેક ફેઝીઝમાંથી હું પસાર થયેલો છું અને દરેક ફેઝનો એન્ડ મેં લાવી નાખેલો છે. ત્યાર પછી ‘જ્ઞાન’ થયેલું છે આ.

ધીસ ઈઝ ધ વર્લ્ડસ્ ઓબ્ઝર્વેટરી. ચાર વેદના ઉપરી છે આ દાદા. એટલે તમારા મનમાં બધા ખુલાસા થઈ જવા જોઈએ અને તો જ સમજાય, અને તો જ નિવેડો આવે. નહીં તો આ ગપ્પાં હજાર વર્ષથી ગાયા કરતા’તા, કશું વળશે નહીં. એટલે તમને સમજાય ત્યાં સુધી પૂછો. અહીં પૂછવા જેવું છે.

મારો મૂળથી વૈજ્ઞાનિક સ્વભાવ

પ્રશ્નકર્તા :આપ પૃથક્કરણ શું અને કેવી રીતે કરતા હતા ?

દાદાશ્રી :હું છવ્વીસ-સત્યાવીસ વર્ષનો હતો ત્યારે કૃપાળુદેવનું પુસ્તક વાંચતો. પછી એ જે મહારાજ આવે ને ત્યાં આગળ, સ્થાનકવાસી આવે તો ત્યાંય જઉ અને દેરાવાસી આવે ત્યાંયે જઉ. તે એક સ્થાનકવાસી મહારાજ આવ્યા હતા. તે એમણે મારી પાસે થોડીક વાતો સાંભળી, ત્યારે મને કહે છે, ‘તમે વિજ્ઞાની માણસ છો ! આ તમારું વિજ્ઞાની મગજ છે ! આ ભગવાન મહાવીરની વાત તમને બહુ સરસ સમજાશે જ્યારે-ત્યારે.’ એ કહે તે પહેલાં તો હું કંઈક નવી જ વાત બોલું. વિજ્ઞાની મગજ ! એ એક જ મહારાજ ઓળખી ગયા હતા.

એ મહારાજ આમ બોલતા હોય ને હું આમ

(પા.૫)

બોલું. કહે છે, ‘આવું ના આવડે કોઈને.’ ત્યારે મેં કહ્યું, ‘આ મહારાજ ખરું કહે છે.’ એમને સમજાઈ ગયું કે આ ઊંચી વાતો કરે છે બધી.

મારો વૈજ્ઞાનિક સ્વભાવ મૂળથીયે, જેટલું (શાસ્ત્ર) વાંચ્યું, એના ઉપર વિજ્ઞાન મારાથી બોલાય. વિજ્ઞાન એટલે આ મારા પાતાળનું પાણી, આ (શાસ્ત્ર)માંથી લીધું પણ નીકળે પાછું મારા પાતાળનું પાણી !

વિજ્ઞાની એટલે પોતાનું બધું ઊભું કરી દેવું. સામો વાત કરે તે પહેલાં આગળનું બધું જોઈ નાખે, સામાને રસ્તે ચઢાવી નાખે.

મને નાનપણથી જ ટેવ હતી કે મને કોઈ જ્ઞાનની વાત કરે ત્યારે હું વિજ્ઞાનમાં લઈ જઉ. મારો વિજ્ઞાની સ્વભાવ તો નાનપણથી જ હતો. વિજ્ઞાની એટલે મૂળ શબ્દ જડ્યો, તે પછી હું ક્યાંય સુધી પહોંચી જાઉ ! વાત જ્ઞાનની ચાલતી હોય, તે હું એમાં તો કંઈની કંઈ શોધખોળ કરી નાખું ! લોક વિજ્ઞાનની વાત સાંભળે, તે તેને જ્ઞાનમાં લઈ જાય ને હું જ્ઞાનની વાત વિજ્ઞાનમાં લઈ જઉં ! વિજ્ઞાન એટલે કે એવી એવી વાત કે શાસ્ત્રોમાં જડે નહીં ને બધા જ ફોડ પડે.

પરિણામ પકડનારું વિજ્ઞાની બ્રેઈન

નાનપણથી વિજ્ઞાની બ્રેઈન ! પરિણામને પકડનારું ! દરેક વસ્તુ પ્રાપ્ત થાય તે પહેલાં પરિણામને પકડી પાડે, કાયમ. એટલે પરિણામ પકડનારું બ્રેઈન, તે કામ લાગ્યું આમાં.

મારુ_ વલોણું પરિણામવાદી હતું. ‘આજ વલોણું વલોવ્યું, એમાં આવ્યું શું ?’ એવું જોવાની ટેવ હતી. વલોવું ખરો, પણ જોયા પછી કંઈ માખણ ના આવે તો હું છોડી દઉ. હું વલોવું ખરો, પણ મારું પરિણામવાદી હતું. પરિણામે મને શું પ્રાપ્ત થયું એ જોઈ લઉં. એટલે હુંયે વલોવતો’તો બળ્યું, પણ વલોવ્યું ત્યારે તો આ બધું જડ્યું ને મને ! વલોવતા વલોવતા જડ્યું ને ! પણ તે પરિણામવાદી હતું.

મારો નાનપણથી એક સ્વભાવ હતો કે હરેક કાર્ય કરું એનું મને પરિણામ દેખાયા વગર રહે જ નહીં. છોકરાં બધા ચોરી કરતા હોય તો મારું મન લલચાય ખરું કોઈ વખત કે આ કરવા જેવી ચીજ છે, પણ મને તરત પરિણામ રૂપે ભય દેખાયા જ કરે. એટલે મૂળથી જ પરિણામ દેખાય. એટલે કશે ચોંટવા દીધો નથી. આનું પરિણામ શું આવશે એ મારી સાથે હોય છે, દરેક વાતમાં.

એકલા પડતા મહીં સૂઝ પડે

હું શોર્ટકટ ઓળખી કાઢું. નાનપણથી મને માર્ગ જુદો મળી ગયેલો, પહેલેથી. નાનપણથી માર્ગ બદલું, માણસોના આધારે હું ચાલતો નહોતો. આ ટોળું જાય ને, એ ટોળું ચાલે તે ટોળામાં હું ના ચાલું. હું જોઈને તપાસ કરું કે આ ટોળું કઈ બાજુ લઈ જાય છે ? આ રસ્તો વળી આમ ફરી અને પાછો પેણે જાય છે. તે આખું કુંડાળું ગણીએ તો એકના ત્રણ ગણા થાય, તો આ અડધું કુંડાળું દોઢ ગણા થાય. તે દોઢા રસ્તે માર ખાય કે સીધા ? તે હું સીધું ચાલતો’તો, લોકોને રસ્તે ચાલેલો નહીં પહેલેથી. લોક રસ્તે ધંધો નહીં. લોકો કરતા જુદો ધંધો, રીતેય જુદી, રસમેય જુદી, બધું જ જુદું. એટલે મારી ટેવ આવી પહેલેથી. તે મને લોક શું શબ્દ કહેતા’તા, તે કહું ?

પ્રશ્નકર્તા :હા.

દાદાશ્રી :‘હોંહરો (સોંસરો) પડું છું’ કહે છે. હું કહું, ‘હા.’ ત્યારે કહે, ‘શી રીતે ઓચિંતો આવ્યો તું અમારી પહેલાં ? હોંહરો પડીને

(પા.૬)

આવ્યો ?’ મેં કહ્યું, ‘હા, હોંહરો પડીને આવ્યો છું. તે તમારા ટોળાની પેઠ છબલિકા વગાડીને તમારી જોડે ફરું ?’ હું મારી મેળે બીજો રસ્તો ખોળું. મને ફાવે નહીં એ બધું.

કુદરતનો નિયમ શો છે ? પાડોશમાં કોઈ ના હોય ને એકલો હોય ને, તો એને સૂઝ પાડનાર મહીં છે. પણ બીજા ચાર હોય તો કોણ સૂઝ પાડે ? એકલો હોય તો સૂઝ પડે. એટલે આ જગત એકલું હોતું નથી, તેની જ ભાંજગડ છે ને ! અને હું એકલો ફરેલો છું. કારણ કે મારો સ્વભાવ નાનપણથી એવો હતો કે લોકોના રસ્તે નહીં ચાલવું, પોતાના ધારેલ રસ્તે ચાલવું. તેનો મારેય પડેલો કેટલી વખત, કાંટાએ ખાધેલા પણ છેવટે આ રસ્તે જવું એ નક્કી. તે આમાં આ રસ્તે ફાવ્યું અમારે. ઘણા અવતાર માર પડ્યા હશે, અને ઘણીવાર રસ્તો ના જડતો હોય તો આ મહીં માંહ્યલાને કહેવાય, કે ‘હું તો આંધળો છું એટલે તને ઓળખતો નથી પણ તુંય આંધળો છું ? મને કંઈક સાચો રસ્તો બતાડ’ એમ ભગવાનને વઢવું પડે. અલ્યા મૂઆ, તને કશી જ સમજ ના પડે તો ‘માંહ્યલો છે’ તેમ કર કર કરીશ તોય તે તારી અંદરના આવરણ તૂટશે, આગળનો રસ્તો દેખાશે પણ બહાર ભગવાન ખોળીશ તો તેમાં તારું કશું જ વળશે નહીં. પણ છેવટે મેં ખોળી કાઢ્યું એ વાત નક્કી.

મહીં જ જડ્યા ‘ભગવાન’

હું નાનો હતો ત્યારે ભગવાન ખોળતો. ભગવાનનો કંઈ પુરાવો આપ મને તું. પુરાવો ના જોઈએ બધો ? પણ પછી મને એક વસ્તુ ઉપરથી ભગવાન જડ્યા. નાનપણથી દર્શન એટલું બધું હાઈ (ઊંચું), તે લઘુતમ શીખતા મને ભગવાનનું સમજાઈ ગયું’તું.

હું ચૌદ વરસનો હતો ત્યારે સ્કૂલમાં એક માસ્તર મળી ગયા હતા. તે મને ગણિતમાં લઘુતમ શિખવાડવા આવ્યા. લઘુતમ શીખવા માટે ‘આટલી રકમો તમને આપી છે, એમાંથી લઘુતમ ખોળી આપો,’ કહે છે. એવી પાંચ-દસ રકમો આપતા અને પૂછતા. ત્યારે મેં માસ્તરને પૂછયું, ‘એ વળી શું ? લઘુતમ એટલે શું કહેવા માગો છો ? લઘુતમ શી રીતે થાય ?’ ત્યારે કહે, ‘આ બધી રકમો મૂકી છે, એની મહીંથી નાનામાં નાની રકમ અને તે અવિભાજ્ય હોય. આ બધી પાંચ-દસ રકમોમાં એવી રકમ જે મહીં સામાન્ય હોય અને અવિભાજ્ય રૂપે.’ એ એમ નાના બાળકની ભાષામાં જે હોય ને, તે બોલતા હશે શબ્દ. અવિભાજ્ય અને ફરી ભાગ ના કરી શકાય એવી, ફરી ભાગાકાર ન થાય એવી નાનામાં નાની રકમ ખોળી કાઢવાની.

તે દહાડે માણસોને અમારી ભાષામાં ‘રકમો’ બોલીએ, કે આ રકમો સારી નથી. ગુજરાતી ભાષામાં એવું પહેલાંના વખતમાં બોલવામાં આવે કે આ રકમો સારી નથી. મનુષ્યોને શું કહેતો’તો ? અમુક માણસો ખરાબ હોય ને તો હું કહું કે ‘આ બધી રકમો બહુ સારી નથી.’ એમને રકમો કહેતો હતો, માણસો નહોતો કહેતો. શબ્દ જ એવો બોલતો’તો.

તે ચૌદ વર્ષની ઉંમરે મને વિચાર આવેલો કે આ બધી કઈ જાતની રકમો (માણસો) છે ? એટલું જ નહીં પણ આ કૂતરા, બિલાડા, ગાય-ભેંસ, ગધેડા એ બધી જ રકમો છે. પછી મને આખી રાત ઊંઘ ન આવી ને વિચારે ચઢ્યો. આ મને વિચાર પરિણામના જ આવે. હરેક બાબતમાં પરિણામના જ વિચાર આવે. આનું પરિણામ શું આવશે એ મને હાજર થઈ જાય !

(પા.૭)

ત્યારે એ તો મને બીજે દહાડે સમજણ પડી કે આ તો ‘ભગવાન’, કે જે દરેક રકમોમાં, ગાયમાં, ભેંસમાં અને માણસમાં નાનામાં નાની ચીજ હોય તો ભગવાન છે, જે અવિભાજ્ય રૂપે રહ્યા હોય. એટલે ભગવાન લઘુતમ છે. લઘુતમનું ફળ શું આવશે ? ભગવાન થવાશે. માટે લઘુતમથી ભગવાન મળે એવું મને ખાસ સમજણ પડી. ભગવાન લઘુતમ છે, એવું મને તે દહાડે સમજાયેલું. કેવા છે ? અવિભાજ્ય, ફરી ભાગાકાર જ ના થાય અને બધામાં રહ્યા છે, સમાન ભાવે.

પ્રશ્નકર્તા :એ કૉમન ફેક્ટર બધામાં.

દાદાશ્રી :બધામાં કૉમન. તે મને ચૌદ વર્ષે સમજ પડી આ. તે સારી વાતને, આવું ખુલે ત્યારે ! એ ભેજું ખુલ્યું કહેવાય ! ત્યારે મને ખ્યાલ આવેલો કે માણસો બધામાં જ એવી કંઈ નાનામાં નાની વસ્તુ હોવી જોઈએ ને ! અને ભગવાન કહે છે કે હું બધામાં જ છું. તે મને સમજાયું કે આત્મા સર્વમાં છે. ભગવાન મહીં છે ને લોક બહાર ભગવાન ખોળવા દોડાદોડ કરે છે !

રિસર્ચ કરી જડ્યું અક્રમ વિજ્ઞાન

એટલે તેર વર્ષની ઉંમરે આ સ્વતંત્રતા જાગેલી. ત્યાંથી જ મેં તપાસ કરી કે આ ભગવાનને ખોળી કાઢવા. એવો કોણ ભગવાન છે કે આપણને મોક્ષે લઈ જાય ! એ ખોળી કાઢ્યા પણ. ‘માથે ભગવાન નથી’ એવું ખોળી કાઢ્યું.

આમથી તેમ, આમ હલાવ્યું, તેમ કર્યું પણ ખોળી કાઢ્યું કે ‘નથી જ.’ અને ‘નથી’ બોલ્યો, ત્યાર પછી મેં રાહ જોઈ. મેં કહ્યું, ‘જો તું હોઉ, તો મને ઉઠાવી લે હમણે.’ ‘અવકાશ દેખા, લેકીન કુછ નહીં. કુછ ભી પત્તા હી નહીં ઉસકા.’ એમ ને એમ ત્યાં આગળ લોસ્ટ પ્રોપર્ટી ઑફિસમાં ગઈ બધી અરજીઓ લોકોની. પછી વાંચવામાં આવ્યું કે ભગવાન તો માંહ્યલાને કહેવાય છે, ત્યારે એ વાત મને ગમી. ઘણા લોકો તો ભગવાનને ‘માંહ્યલો’ જ કહે છે ને !

અંતે ભગવાનને ખોળી કાઢ્યા તે ખોળી જ કાઢ્યા, પણ ભગવાનની એટલી સરસ ભક્તિ કરી કે ભગવાન મને વશ થઈ ગયા છે આખાય ! એમ ને એમ અજવાળું થઈ ગયું ! ધારેલું નહીં આવું. તે મારું ડેવલપમેન્ટ (ઉપાદાન) હું લાવેલો અને અનંત અવતારની ઈચ્છાઓ, તે આ અવતારે ફળી.

મેં આખી લાઈફ રિસર્ચ (શોધખોળ)માં જ કાઢી છે, રિસર્ચ જ કરેલું બધું. એટલે ભગવાન જડ્યા અને પછી સમજાયું કે ધ વર્લ્ડ ઈઝ ધ પઝલ ઈટસેલ્ફ, ઈટસેલ્ફ પઝલ થયેલું છે. ગૉડ હેઝ નૉટ ક્રિએટેડ, ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ. સંજોગો બધા સાયન્ટિફિક સંજોગો છે, એનાથી બધા કાર્યો થયા કરે છે.

પ્રશ્નકર્તા :દાદા, પેલા સાયન્ટિસ્ટના ઑબ્ઝર્વેશન (વૈજ્ઞાનિકના નિરીક્ષણ) હોય ને, તે તમારા ઑબ્ઝર્વેશન બધા વિચાર કરેલા છે. બધા ઑબ્ઝર્વેશન કરે ને બધાને નોંધે, તે સાયન્સનો નિયમ છે. તે તમે વધારેમાં વધારે નોંધો કરીને વધારેમાં વધારે તારણ કાઢ્યું એ પ્રત્યક્ષ દેખાય છે !

દાદાશ્રી :તે આ બધી નોંધ કરી. બધી રીતે આ દુનિયાને અમે જોયેલી છે અને બહુ ઊંચા ઊંચા પુરુષેય જોયેલા. બેઉ જોયેલું મેં, નથી જોયું એવું નહીં. પછી સમજી ગયો કે આ જગત પોલંપોલ છે.

છેવટે અક્રમ વિજ્ઞાન જડ્યું બહુ સરસ ! અમને નાનપણથી ખૂંપી ગયેલું આ વિજ્ઞાન. તે

(પા.૮)

નિરાંતમાં ને નિરાંતમાં રહેલા. બીજી બાહ્ય વાતો ના આવે.

દિલના સાચાને થયું પૂર્ણ અજવાળું

પ્રશ્નકર્તા : પણ આપને અક્રમ જ્ઞાન કઈ રીતે પ્રગટ થયું ? એમ સહજ, એની મેળે કે પછી કંઈ ચિંતન કર્યું ?

દાદાશ્રી : એની મેળે, ‘બટ નેચરલ’ થયું ! અમે કશું આવું ચિંતન કરેલું નહીં. અમને તો આટલું બધું હોય ક્યાંથી ? અમે તો એવું માનતા હતા કે કંઈક આ બાજુનું ફળ આવે એવું લાગે છે. સાચા દિલના હતા, સાચા દિલથી કરેલું હતું, એટલે એવું કંઈક ફળ આવશે, કંઈક સમકિત જેવું થશે, એવું લાગેલું. કંઈક સમકિતનો આભાસ થશે, એનું અજવાળું થશે. તેને બદલે આ આખું અજવાળું થઈ ગયું !

૧૯૫૮માં આ ‘જ્ઞાન’ પ્રગટ થયું ! તે દહાડે ‘જ્ઞાની’ થયા ! તેના આગલે દહાડે તો ‘અમે’ પણ અજ્ઞાની જ હતા ને ! તેમાં મારો કંઈ પુરુષાર્થ નથી.

આ અમને નેચરલ બક્ષિસ છે. આ લિફ્ટ માર્ગ છે. ધીસ ઈઝ બટ નેચરલ ! મારી શોધખોળ હતી, પણ અત્યારે આ ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શ્યલ એવિડન્સ’ છે. કુદરતી રીતે ‘લાઈટ’ થઈ ગયું છે, તમે તમારો દીવો સળગાવી જાવ.

પ્રશ્નકર્તા : આપને ‘બટ નેચરલ’ જ્ઞાન થયું તે શું, એ સમજાવો.

દાદાશ્રી : ‘બટ નેચરલ’ જ્ઞાન કો’કને જ થાય. કોઈ કહેશે કે ‘મેં જાતે કર્યું છે.’ તો તે જ્ઞાન અધૂરું રહે છે. આ તો નેચરલી એની મેળે થયું છે. જો કર્યું હોય તો ૮૦ ટકા વિકલ્પ ઓછો થયો તો ૨૦ ટકા બાકી રહે. આ તો ૧૦૦ ટકા નિર્વિકલ્પ છે, આ વીતરાગ વિજ્ઞાન છે !

આ કુદરતનો ગહન કોયડો છે. આમાંથી કોઈ છૂટેલો નહીં ને જે છૂટ્યા તે કહેવા રહ્યા નહીં. હું ‘કેવળજ્ઞાન’માં નાપાસ થયો એટલે તમને કહેવા રહ્યો છું. માટે સંભાળીને તમારું કામ કાઢી લો. આ તમારું જ છે, અમે તો ખાલી કામ કઢાવવા માટે બેઠા છીએ !

સિદ્ધિ, અક્રમ વિજ્ઞાનીની

પ્રશ્નકર્તા : આપ જ્ઞાન આપો છો, તેની પાછળ કંઈક વૈજ્ઞાનિક ભૂમિકા હોય તો એવી કંઈક વાત કરો ને !

દાદાશ્રી : આ આખું વિજ્ઞાન જ છે, અવિરોધાભાસી વિજ્ઞાન છે. અને વિજ્ઞાનની ભૂમિકા શું છે ? તમારા સર્વ પાપો ભસ્મીભૂત કરી નાખે છે. તેના વગર તો તમે સાક્ષાત્કાર પામો જ નહીં અને સાક્ષાત્કાર પામ્યા સિવાય મોક્ષે જઈ શકો નહીં અને તે સાક્ષાત્કારયોગ નિરંતર રહેવો જોઈએ. એક ક્ષણ પણ સાક્ષાત્કારયોગ ના બદલાય. એની જાતે જ રહે, આપણે યાદ ના કરવો પડે.

આત્મા જાણવા માટે, અરે ! આત્મા જાણવાની વાત ક્યાં ગઈ પણ આત્મા કંઈક શ્રદ્ધામાં આવે કે ‘હું આત્મા છું’ એવી પ્રતીતિ બેસે એટલા માટે લોકોએ ભયંકર પ્રયત્નો આદર્યા છે. પણ એ શ્રદ્ધા બેસવી મુશ્કેલ થઈ પડે એવો વિચિત્ર કાળ છે. હવે આવા કાળમાં આત્માનો અનુભવ ‘જ્ઞાની પુરુષ’ પાસેથી થઈ જવો એ જ આ ‘અક્રમ જ્ઞાન’ની સિદ્ધિ છે. બધા દેવલોકોની જે ‘જ્ઞાની પુરુષ’ પર કૃપા વરસે છે, આખું બ્રહ્માંડ જેના પર ખુશ છે, તેથી આ બધું પ્રાપ્ત થાય.

(પા.૯)

વ્યવહારમાં અવતરણ નિશ્ચયનું

આ તો વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે વિજ્ઞાન. વિજ્ઞાનમાં કશો ફેરફાર ના હોય અને છે પાછું સૈદ્ધાંતિક, જે સહેજેય વિરોધાભાસ કોઈ જગ્યાએ ન હોય અને બધી રીતે વ્યવહારમાં ફીટ થાય, નિશ્ચયમાં ફીટ થાય, બધે ફીટ થાય, ફક્ત લોકને ફીટ ના થાય. કારણ કે લોકો લોકભાષામાં છે. લોકભાષા ને જ્ઞાનીની ભાષામાં બહુ ફેર છે. જ્ઞાનીની ભાષા કેવી સારી છે, કશી અડચણ જ નહીં ને ! જ્ઞાની ફોડવાર બધા ફોડ આપે ત્યારે ઉકેલ આવે.

આપણું આ ‘અક્રમ વિજ્ઞાન’ જગતમાં બહાર પડે તો લોકોનું બહુ કામ કાઢી નાખે. કારણ કે આવું વિજ્ઞાન નીકળ્યું નથી. આ વ્યવહારમાં, વ્યવહારની ઊંડાઈમાં કોઈએ કોઈ જાતનું જ્ઞાન મૂકેલું નહીં. વ્યવહારમાં કોઈ પડેલું નહીં. નિશ્ચયની જ વાતો બધી કરેલી. વ્યવહારમાં નિશ્ચય આવેલો નહીં. નિશ્ચય નિશ્ચયમાં રહેલો અને વ્યવહાર વ્યવહારમાં રહેલો. પણ આ તો વ્યવહારમાં નિશ્ચય લાવીને મૂક્યો છે, અક્રમ વિજ્ઞાને. અને આખું નવું જ શાસ્ત્ર ઊભું કર્યું છે અને તે સાયન્ટિફિક પાછું. હવે આ ‘અક્રમ વિજ્ઞાન’ બહાર શી રીતે પડે ? બહાર પડે તો જગતનું કલ્યાણ થઈ જાય !

‘અક્રમ’ એ ‘ફૂલ સ્ટોપ’ વિજ્ઞાન

‘અક્રમ વિજ્ઞાન’ એ ‘ફૂલ સ્ટોપ’ છે અને ક્રમિક વિજ્ઞાન એ ‘કૉમા’ છે. આ જગત બધું ક્રમિક વિજ્ઞાનથી ચાલી રહ્યું છે. વિજ્ઞાન બે જાતના છે ! એક તો, આ બહારનું વિજ્ઞાન તો આ જગતના સાયન્ટિસ્ટો કર્યા જ કરે છે ને ! અને બીજું, આ આંતર વિજ્ઞાન કહેવાય છે, જે પોતાને સનાતન સુખ તરફ લઈ જાય છે. એટલે પોતાનું સનાતન સુખ પ્રાપ્ત કરાવે એ આત્મ વિજ્ઞાન કહેવાય અને આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટવાળું સુખ કરે, એ બધું બાહ્ય વિજ્ઞાન કહેવાય. બાહ્ય વિજ્ઞાન તો છેવટે વિનાશી છે ને વિનાશ કરનારું છે અને ‘આ’ સનાતન છે અને સનાતન કરનારું છે !

એટલે વિજ્ઞાન બે પ્રકારના : એક ‘ફૂલ સ્ટોપ’ વિજ્ઞાન અને એક ‘કૉમા’ વિજ્ઞાન ! ‘ફૂલ’ એટલે કંઈ કરવાનું નહીં.

ભેદ વિજ્ઞાન ને અક્રમ વિજ્ઞાન એક જ છે. પણ આ અક્રમ વિજ્ઞાનનું ભેદ વિજ્ઞાન એ ફુલ સ્ટોપ છે, જ્યારે ક્રમિકનું ભેદ વિજ્ઞાન કૉમા છે. એટલે આને પછી કશું કરવાનું નથી હોતું. કશું કરવાનું નહીં એનું નામ અક્રમ વિજ્ઞાન. કરવાનું નહીં ત્યારે શું થાય ? ત્યારે કહે, સહજ સ્વરૂપે થયા કરવું નિરંતર.

અક્રમમાં ઊડાડ્યો બાહ્યાચાર

બાકી ક્રમિક માર્ગનું જ્ઞાન જે છે ને, તે બધુંય છે તે આચાર જોયા વગર આગળ બીજી વાત ચાલે નહીં અને આપણે અહીંયા આચાર જોતાં નથી આ.

આ ક્રમિક માર્ગ શું કહે છે કે બાહ્યાચાર પલટાય, પછી ભાવ પલટાય તો છૂટે એવું છે. તમે ઘેર રહીને ક્યારે સર્વાંશ થઈ રહો ને ક્યારે તમારા બાહ્યાચાર પલટાય ? ત્યાં શી રીતે બાહ્યાચાર પલટાય ?

એટલે આ ‘અક્રમ વિજ્ઞાન’નો પ્રતાપ કે જે વાંકો છે તે ‘હું’ ન્હોય, અને ‘હું’ તો આ શુદ્ધાત્મા !

પ્રશ્નકર્તા : એટલે જેને સુધારવા ફરે છે તોય એ સુધરે નહીં, ને એની પાછળ આખો ભવ પૂરો થાય, પણ એ વસ્તુ જ ‘પોતે’ હોતો નથી એવું જ થયું ને ?

(પા.૧૦)

દાદાશ્રી : હા, તેથી પાર જ ના આવે ને ! તેથી તો અનંત અવતાર ભટકવાનું ને !

તેથી લોકોએ તીર્થંકર મહારાજને કહેલું કે હે ભગવાન ! આપને જે કડીબંધ લીંક મળી એ કો’ક મહાભાગ્યશાળીને મળે ! કડીબંધ લીંક એટલે અહીંથી આગળનો રસ્તો, એથી આગળનો રસ્તો, એથી આગળનો રસ્તો એમ મળી આવે. કડીબંધ ! અને ઠેઠ સુધી પાછું !

અને આ લોકોને કડીબંધ લીંક મળે નહીં અને ક્યાંય ચાલ્યા જાય !

મનેય કડીબંધ લીંક મળી હતી. એવી મેં મારી જાત માટે શોધખોળ કરી કે આ કઈ જાતનું બન્યું ! પણ તે મને કડીબંધ લીંક મળેલી. તેથી આખું આ ‘અક્રમ વિજ્ઞાન’ પ્રગટ થયું ને !

એટલે આ ‘‘જે આડો છે તે ‘હું’ ન્હોય’’ એવું જ્ઞાન થવું, એનું નામ ‘અક્રમ વિજ્ઞાન’ ને ‘‘આડો તે ‘હું’ છું અને સીધું મારે થવાનું છે’’, તેનું નામ ક્રમ !

આપણા વિજ્ઞાનમાં આ જ્ઞાન આપતી વખતે સુટેવો અને કુટેવો બેઉને બાજુએ બેસાડી દઈએ છીએ. આપણે સુટેવોના ગ્રાહક નથી અને કુટેવોના ત્યાગી નથી. આપણે પુણ્યાચાર ને પાપાચાર બન્નેને બાજુએ બેસાડી દઈએ છીએ. આપણે પુણ્યનાય ગ્રાહક નથી ને પાપનાય ત્યાગી નથી. એટલે આ એક અવતારના ઉદયને કોઈ ફેરવી શકે નહીં. જન્મથી જે ઉદય છે તે મરણ સુધીના ઉદયને કોઈ ફેરવી શકે નહીં.

અમારે એક જ કલાકનો પ્રયોગ કરવો પડે. પછી બધી નિર્બળતાઓ જતી રહે, નહીં તો કરોડો અવતારેય કશું વળ્યું નથી ! કારણ કે શું નડે છે ? વેદાંતે શું કહ્યું ? મળ, વિક્ષેપ ને અજ્ઞાન. અને જૈનોએ શું કહ્યું ? રાગ, દ્વેષ ને અજ્ઞાન. એટલે અજ્ઞાન જાય તેની મુક્તિ થાય. અજ્ઞાન ક્યારે જાય ? જ્ઞાની પુરુષ પાસે જાય ત્યારે. જ્ઞાની પુરુષનું એ જ્ઞાન કેવું હોય ? વિજ્ઞાન હોવું જોઈએ. આ તો બહુ ઊંડી કરામત છે, આ બધું રહસ્યવાળું વિજ્ઞાન છે, ચોવીસ તીર્થંકરોનું ભેગું વિજ્ઞાન છે !

વીતરાગ વિજ્ઞાન મુક્તિ અપાવે

આ તો વીતરાગ વિજ્ઞાન છે ! પ્યૉર (શુદ્ધ) વીતરાગ વિજ્ઞાન, જરાય ઈમ્પ્યૉર (અશુદ્ધ) નહીં !

વીતરાગ વિજ્ઞાન અઘરું નથી, પણ એના જ્ઞાતા ને દાતા નથી હોતા. કોઈક ફેરો એવા ‘જ્ઞાની પુરુષ’ હોય ત્યારે એનો ફોડ પડી જાય. બાકી સહેલામાં સહેલું હોય તો તે વીતરાગ વિજ્ઞાન છે; બીજા બધા વિજ્ઞાન અઘરાં છે. બીજા વિજ્ઞાન માટે તો ‘રિસર્ચ સેન્ટર’ (સંશોધન કેન્દ્ર) કાઢવા પડે ને બૈરી-છોકરાંને બાર મહિના ભૂલી જાય ત્યારે રિસર્ચ થાય ! અને આ વીતરાગ વિજ્ઞાન તો ‘જ્ઞાની પુરુષ’ પાસે ગયા એટલે સહજ પ્રાપ્ત થઈ જાય.

અહીં આગળ અમે ‘જ્ઞાન’ આપીએ છીએ ત્યારે ‘આત્મા’ અને ‘અનાત્મા’ બન્નેને જુદા પાડી આપીએ છીએ અને પછી તમને ઘેર મોકલીએ છીએ.

પ્રશ્નકર્તા : આઉટર (બાહ્ય, ભૌતિક) વિજ્ઞાનનો જેવી રીતે ડેફિનેટ (નિશ્ચિત) અનુભવ થાય છે, તેવી રીતે ઈનર (આંતર) વિજ્ઞાનનો પણ ડેફિનેટ અનુભવ થવો જોઈએ ને ?

દાદાશ્રી : ડેફિનેટ અનુભવ વગરનું વિજ્ઞાન, વિજ્ઞાન કહેવાય જ નહીં. વિજ્ઞાન એનું નામ કહેવાય કે અનુભવ સહિત જ હોય. ત્યાં સુધી

(પા.૧૧)

જાણ્યું જ ના કહેવાય. ત્યાં સુધી જે ચોપડીઓ બધી વાંચીએ એને (બુદ્ધિજન્ય) જ્ઞાન કહેવાય પણ વિજ્ઞાન ના કહેવાય. એ જ્ઞાન એટલે શુષ્કજ્ઞાન, ફળ આપે નહિ અને કેફ બહુ ચઢે. ‘હું જાણું છું, હું જાણું છું’ એનો કેફ બહુ ચઢે. આ ભમરડો જુઓ, મોટો જાણનારો આવ્યો ! કેફ ચઢે ઊલટો. અને વિજ્ઞાન તો તરત જ ફળ આપે. એ અનુભવવાળું જ હોય. વિજ્ઞાન એટલે શું ? સાકરને ગળી કહેવી એ જ્ઞાન છે અને સાકરનો સ્વાદ જાણવો, અનુભવવો એ વિજ્ઞાન છે. એટલે આ બધું અહીં આગળ વિજ્ઞાન છે. વિજ્ઞાન બુદ્ધિ બહાર હોય. વિજ્ઞાન અન્લિમિટેડ (અસીમ) હોય.

આ જેટલું હું બોલું છું તે અપૂર્વ છે. પૂર્વે ક્યારેય સાંભળેલું નથી, વાંચેલું નથી, જાણેલું નથી, જોયેલું નથી એવું અપૂર્વ વિજ્ઞાન છે આ ! અને તરત છોડાવનારું છે. તમને કેટલા કલાક જ્ઞાન આપવું પડ્યું હતું ?

પ્રશ્નકર્તા : એક કલાક જ !

દાદાશ્રી : વિજ્ઞાન એટલે શું કે જે જ્ઞાન લોકોના ખ્યાલમાં ના હોય. ગિફ્ટથી ઊભું થયેલું હોય. કસી કસીને ના થાય. કસી કસીને, કસોટી કર્યે ના થાય. એ ગિફ્ટ હોય. તે સાયન્ટિસ્ટ ગિફ્ટ લઈને જન્મેલો જ હોય. આ અમારું વિજ્ઞાનેય ગિફ્ટ છે. કોઈ માણસ કરી ના શકે.

વીતરાગી જ્ઞાન સુણ્યું નથી, જાણ્યું નથી ને શ્રધ્યું નથી. જો તેમ થયું હોત તો કામ જ થઈ ગયું હોત ! ‘વીતરાગી જ્ઞાન’ ‘વીતરાગી પુરુષ’ સિવાય ના મળે.

વેદના ઉપરી ભેદવિજ્ઞાની કહેવાય, જે આત્મા અને બીજા પાંચ તત્ત્વો છે એ બધાને જુદા પાડી દે. અમારી સિદ્ધિઓ લોકો તત્ત્વ સ્વરૂપ પામે એમાં ચાલે.

ભેદજ્ઞાન એ કેવળજ્ઞાનનું મોબારું

પ્રશ્નકર્તા :આ જ્ઞાનવિધિ છે એ આપે બનાવેલી છે ?

દાદાશ્રી :એ ઉદયમાં આવેલી છે. આ અમારું ઐશ્વર્ય છે, એ પ્રગટ થયેલું છે !

પ્રશ્નકર્તા :એની અંદર ગજબની શક્તિ છે !

દાદાશ્રી :એક્ઝેક્ટ કેવળજ્ઞાન ! આખી જ્ઞાનવિધિ કેવળજ્ઞાન છે ! આ મારી શક્તિ નથી, ઐશ્વર્ય પ્રગટ થયું છે. બે કલાકમાં મોક્ષ આપે એવું ઐશ્વર્ય ! દાદાની જ્ઞાનવિધિ થાય તેનો મોક્ષ થઈ જાય, આત્મજ્ઞાન થઈ જાય, નહીં તો લાખ અવતારેય ઠેકાણું ના પડે.

આ તો મૂળ આત્માનું ઐશ્વર્ય છે ! અહો ! ઐશ્વર્ય છે આ ! નહીં તો બે કલાકમાં મોક્ષ તે હોતો હશે ? આ તો મૂળ આત્માનો વૈભવ છે. એ આત્મા અમે જોયો છે. એનું ઐશ્વર્ય પાર વગરનું છે !

જબરજસ્ત ઐશ્વર્ય પ્રગટ થયું છે. જે માગે એ મળે અહીં, જોઈએ એટલું, માગતા ભૂલે જગતમાં. માગવાની આપણી પાત્રતા જોઈએ. બહુ મોટું ઐશ્વર્ય કહેવાય. બે કલાકમાં તો મનુષ્યની આખી દ્રષ્ટિ ફરી જાય છે.

આ જ્ઞાન ભેદવિજ્ઞાન છે. એ તો મતિજ્ઞાનની ઉપરનું જ્ઞાન છે અને સો ટકા મતિજ્ઞાન એ કેવળજ્ઞાન કહેવાય. એટલે આ લગભગ છન્નું ઉપર સતાણું ટકા હોય છે એટલે એ ભેદવિજ્ઞાન કહેવાય અને સો ટકા એ કેવળજ્ઞાન કહેવાય.

પ્રશ્નકર્તા :તો પછી ભેદજ્ઞાન એ સર્વસ્વ જ્ઞાન એમ કહેવાય ?

(પા.૧૨)

દાદાશ્રી :ભેદજ્ઞાન એ જ સર્વસ્વ જ્ઞાન અને એ જ કેવળજ્ઞાનનું મોંબારું છે ! એટલે બિલકુલ શુદ્ધ જ્ઞાન એ જ પરમાત્મા છે, બીજું કશું નહીં. દેહધારીરૂપે આવું શરીર પરમાત્માને હોતું નથી. એ નિર્દેહી છે, શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે, કેવળજ્ઞાન સ્વરૂપે છે. એ બીજા સ્વરૂપમાં છે જ નહીં.

ભગવાને તેથી કહેલું કે આત્મજ્ઞાન જાણો. આત્મજ્ઞાન અને ‘કેવળજ્ઞાન’માં બહુ લાંબો ફેર જ નથી. આત્મજ્ઞાન જાણ્યું એ ‘કારણ કેવળજ્ઞાન’ છે ને પેલું ‘કાર્ય કેવળજ્ઞાન’ છે !

‘જ્ઞાની પુરુષ’ - વર્લ્ડના ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ

આ જગતમાં છ તત્ત્વો છે, તે વસ્તુ રૂપે રહ્યા છે. તે પોતાના વસ્તુત્વના સંપૂર્ણ સ્વભાવમાં રહે છે. આ છ વસ્તુના સંમેલનથી જગત આખું ઊભું થયું છે. આ જગતને બુદ્ધિવાળો ક્યાંથી સમજી શકે ?

આ તત્ત્વોને અમે જુદાં પાડીએ. જેમ સોનું અને તાંબું બે ભેગા થયેલા હોય, તે પેલા સોની લોકો જુદા પાડે ને, એવી રીતે આ જ્ઞાની પુરુષ જુદાં પાડી શકે. ભેદ વિજ્ઞાની, જેને ભગવાનનું પ્રતિનિધિપણું હોય, તે ભાગ પાડી શકે. તે અમે પાડી શક્યા. એટલે જુદો થઈ જાય આત્મા.

(આત્મા) એ કયા સ્વરૂપે હશે ? મિક્ષ્ચર કે કમ્પાઉન્ડ ? આ આત્મા અને અનાત્મા મિક્ષ્ચર સ્વરૂપે હશે કે કમ્પાઉન્ડ સ્વરૂપે ?

પ્રશ્નકર્તા : કમ્પાઉન્ડ ?

દાદાશ્રી : જો કમ્પાઉન્ડ સ્વરૂપે હોય તો ત્રીજો નવા જ ગુણધર્મવાળો પદાર્થ ઉત્પન્ન થઈ જાય. અને આત્મા અને અનાત્મા એના પોતાના ગુણધર્મો જ ખોઈ બેસે તો કોઈ આત્મા પાછો પોતાના મૂળ સ્વભાવમાં આવી જ ના શકે અને ક્યારેય મુક્ત ન થઈ શકે. જો હું તને સમજ પાડું. આ આત્મા છે ને, તે મિક્ષ્ચર સ્વરૂપે રહેલો છે.

જેમ સોનું, તાંબું એનું ‘મિક્ષ્ચર’ થઈ ગયું હોય ને તેમાંથી ચોખ્ખું સોનું જોઈતું હોય તો તેનું વિભાજન કરવું પડે. સોનું, તાંબું એ બધાના ગુણધર્મો જાણે તો જ તેનું વિભાજન કરી શકાય. તેમ આત્મા અને અનાત્માના ગુણો જાણવા પડે, પછી એનું વિભાજન થાય. એના ગુણધર્મો કોણ જાણે ? આત્મા-અનાત્માના ગુણધર્મો જે કમ્પ્લિટ (સંપૂર્ણ) જાણે છે અને જે અનંત સિદ્ધિવાળા એવા સર્વજ્ઞ જ્ઞાની છે તે તેનું પૃથક્કરણ કરી આપી છૂટા પાડી શકે. એ તો ‘જ્ઞાની પુરુષ’ કે જે ‘વર્લ્ડ’ના ‘ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ’ (દુનિયાના મહાન વિજ્ઞાની) હોય તે જ જાણે. ને આત્મા અને અનાત્માના પરમાણુ એ પરમાણુનું પૃથક્કરણ કરી, બન્ને છૂટા પાડી નિર્ભેળ આત્મા તમારા હાથમાં એક કલાકમાં જ આપીએ છીએ. એટલું જ નહીં, પણ તમારા પાપોને બાળીને ભસ્મીભૂત કરી આપે, દિવ્યચક્ષુ આપે અને ‘આ જગત શું છે, કેવી રીતે ચાલે છે, કોણ ચલાવે છે !’ વગેરે બધા જ ફોડ પાડી આપે, ત્યારે આપણું પૂર્ણ કામ થાય.

જ્ઞાનવિધિમાં પ્રાપ્તિ નિર્લેપ પદની

હું જે જ્ઞાનવિધિ કરાવું છું ને, એનાથી પહેલું દર્શન બદલાય છે. એ શું છે ? એ બધું વિભાજન થાય છે, તે ઘડીએ કર્મો (પાપો) ભસ્મીભૂત થાય છે અને અંદર જુદું પડી જાય છે, ભ્રાંતિરસથી ચોંટેલું. તે તમે મારા શબ્દ બોલો એટલે આમાં મહીં આવે છે ને એ શબ્દો, ‘તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ છું.’

પ્રશ્નકર્તા :હા, (લેપાયમાન) ભાવોથી સર્વથા હું નિર્લેપ છું.

દાદાશ્રી : એટલે પછી એ પોતે (નિર્લેપ)

(પા.૧૩)

થતો જાય. મહીં જેટલું બોલતો હોય તેમ થતો જાય. ઘેર જઈને એમ ને એમ બોલે ને બધું, કશું વળે નહીં. અહીં વિધિ કર્યા પછી થાય, અહીં એ (અમારી હાજરી) હોય ને !

પ્રશ્નકર્તા :દાદા, પણ જ્યારે વાક્યો નીકળે છે ત્યારે આશ્ચર્ય થાય છે કે ક્યાંથી આ નીકળ્યું ?

દાદાશ્રી : એ જે અમે જોયો છે, જાણ્યો છે અને અનુભવમાં છે, એ કેવળજ્ઞાન સ્વરૂપ આત્મા છે. તેથી આ વાક્યો નીકળે છે. તમામ લેપાયમાન ભાવોથી સર્વથા નિર્લેપ જ છું.

પ્રશ્નકર્તા :એ વિજ્ઞાન, આપે કીધું ને !

દાદાશ્રી :હા, વિજ્ઞાન એટલે એનો એક અંશથી માંડીને સર્વાંશ સુધીનો હિસાબ જોઈએ. વચ્ચેથી કાપી લઈએ એ ભાગ ના ચાલે. અને સિદ્ધાંત અધૂરો ના હોય, સિદ્ધાંત પૂરો જ હોય.

એક જરાય દેહાધ્યાસની રુચિ આથમેલી હોતી નથી છતાંય હું પ્રતીતિ બેસાડું ત્યાર પછી પેલી રુચિ તરત આથમી જ જાય.

આ દર્શન એટલે પ્રતીતિ થઈ ગયા પછી આગળનો ભાગ લક્ષ બેસે એટલે જાય નહીં. એ શ્રદ્ધા તૂટે નહીં પછી. પછી આગળ જેમ જેમ અનુભવ થતો જાય, પછી એનો અમુક નોર્મલ અનુભવથી ઉપર જાય ત્યારે એને પોતાને પોતાનું સ્વરૂપ કેવું છે તે દેખાય. તે અબંધ સ્વરૂપ છે, ક્યારેય બંધાયેલું નથી.

આત્મજ્ઞાન સુધી જ્ઞાન, પછી આગળ વિજ્ઞાન

પ્રશ્નકર્તા :દાદા, હવે એ સમજવું હતું કે આપની જ્ઞાનવિધિ દ્વારા અમને જે રિયલ જ્ઞાન થાય છે તે ને આ વિજ્ઞાનસ્વરૂપ, એ બે કઈ રીતે જુદું પડે છે ?

દાદાશ્રી :વિજ્ઞાન એટલે એબ્સૉલ્યૂટ જ્ઞાન અને રિયલ જ્ઞાન એ છે તો આત્મજ્ઞાન થતા સુધીનું જ્ઞાન કહેવાય છે. આત્મજ્ઞાન સ્પર્શે ત્યાં સુધીનું જ્ઞાન કહેવાય છે અને તે પછી આગળ એને વિજ્ઞાન કહેવાય છે. વિજ્ઞાન એ એબ્સૉલ્યૂટ કહેવાય. એટલે જ્ઞાન એ કરવું પડે અને વિજ્ઞાન એની મેળે ક્રિયા થયા કરે.

શાસ્ત્રોથી પર વાત, અક્રમ વિજ્ઞાન મહીં

પ્રશ્નકર્તા :જ્ઞાનવિધિમાં આપ બોલો છો તે વખતે બોલી તો જઈએ છીએ પણ...

દાદાશ્રી :બોલવાની જ જરૂર. બોલ્યો એટલે કો’ક દહાડો ઊગશે. મહીં છપાઈ ગયું છે ને ! એટલે જે કહું છું ને, પછી જાણશે એ કો’ક દહાડો. બોલ્યો જ ના હોય તો શું થાય ?

પ્રશ્નકર્તા :છતાં દાદા, આપ જે બોલાવો છો એની પાછળ કોઈ ગૂઢ વૈજ્ઞાનિક કારણ દેખાય છે.

દાદાશ્રી :હા, બોલાવું છું. એ બોલાવું નહીં ત્યાં સુધી આત્મા મહીં છૂટો પડે નહીં ને ! આ અક્રમ વિજ્ઞાનની એ જ છે બધી અજાયબી ! નહીં તો છૂટો પડે નહીં આત્મા કોઈ દહાડો. એક્ઝેક્ટ ભેદજ્ઞાન જોઈએ. શાસ્ત્રમાં ભેદજ્ઞાન હોય નહીં. આવું વાક્ય હોય કદીયે શાસ્ત્રમાં ?

પ્રશ્નકર્તા :ના, ન જ હોય.

દાદાશ્રી :આ વાક્ય અનુભવ સિદ્ધ થઈ જાય તો અહીં ને અહીં મુક્તિ થઈ જાય. અને આવા વાક્યો સિવાય છુટકારો થાય નહીં ને આત્મા જુદો પડે નહીં કોઈ દહાડોય. મૂળ દ્રવ્ય અને એની મૂળ વાત જોઈએ. મૌલિક વાત જોઈએ, શાસ્ત્રની વાત ચાલે નહીં.

પ્રશ્નકર્તા :આ તો એક-એક શબ્દો આપના

(પા.૧૪)

છે એ એક-એક કળિયુગના નવા શાસ્ત્રો જેવી રચના કરી નાખશે.

દાદાશ્રી :નવા શાસ્ત્રો જ છે આ.

આ અમારા એક-એક શબ્દમાં અનંતા અનંતા શાસ્ત્રો રહ્યા છે ! આ સમજે અને પાંસરો હેંડ્યો તો કામ જ કાઢી નાખે ! એકાવતારી થઈ જવાય એવું આ વિજ્ઞાન છે ! લાખો અવતાર કપાઈ જશે !

પુદ્ગલ સંબંધી યથાર્થ ફોડ

પ્રશ્નકર્તા :(દાદા, આ આત્માને છૂટો પાડી આપે કૃપા કરી છે, પણ સાથે સાથે આ)પુદ્ગલ, આ પૂરણ-ગલનનો તમે જે ફોડ પાડ્યો. તે મને નથી લાગતું કે આ ભગવાન મહાવીર પછી કોઈ સમજ્યું હોય એ વાત ?

દાદાશ્રી :ના, પણ જ્ઞાની સિવાય શી રીતે સમજે લોકો ? આમાં આ ગજું જ નહીં ને લોકોનું ! લોક પુદ્ગલ જ બોલ્યા કરે. પુદ્ગલ એટલે શું ? ત્યારે કહે, દેહ. એટલે દેહનું બીજું નામ પુદ્ગલ. આ આની શોધખોળ કરવા માટે મેં ૨૦ વર્ષ સુધી બહુ ટાઈમ લગાડેલો કે આ પુદ્ગલ ને આ બધા શબ્દો છે ને શી રીતે ભગવાન જડે ?

આ પુદ્ગલ શબ્દ બહુ મોટી શોધખોળ છે. એટલે આ પૂરણ-ગલન એટલું જ જો સમજાયું હોય ને, બહુ થઈ ગયું. આ પૂરણ-ગલન અને તું શુદ્ધાત્મા છું. તો એની મેળે આ પૂરણ-ગલન શું શું થાય છે જોઈ લે અને એ બાદ કરી નાખું, તો તું શુદ્ધાત્મા જ છું. હવે એટલી બધી સમજણ લોકોને હોય જ નહીં. એટલે પાછું જ્ઞાનીની પાસે આવવું પડે. આમ શીખવવાથી, આમ બોલવાથી પેલો સમજી જાય ખરો કે બરોબર, વાત તમારી કરેક્ટ છે પણ પાછું અમલમાં મૂકવું વસમું પડી જાય ને !

પ્રશ્નકર્તા :દાદા, આમ શાસ્ત્રમાં તો પુદ્ગલ શબ્દનો અર્થ તો લખેલો જ છે ને, આ રીતે આ બધા શાસ્ત્રોમાં ? તમે કહો છો કે ૨૦ વર્ષે અમે એનો અર્થ શોધ્યો.

દાદાશ્રી :આપણા તો હમણાં લખાયા, એ તો હમણાં આપ્તવાણી એ બધું બહાર પડ્યું. નહીં તો પડ્યું જ નહોતું ને ! આ તો નવી ચોપડીમાં લોકો સમજી ગયા, જાણી ગયા બધા. સત્સંગની વાતોમાં ને વાતોમાં, એ વાતો કરી. લોક જાણતા નો’તા પુદ્ગલ, ખાલી ‘પુદ્ગલ, પુદ્ગલ’ એટલું બોલ્યા કરે છે.

પ્રશ્નકર્તા :દાદા, આ કઈ સાલની વાત છે આ ? ક્યારથી ‘પુદ્ગલ’ શબ્દ સમજવાનો પ્રયત્ન કરેલો ?

દાદાશ્રી :આ તો ૧૯૩૨ની સાલની વાત છે. ’૪૦, ’૪૨ની સાલમાં મને પુદ્ગલ નહીં સમજાયેલું, ’૪૫ની સાલમાંય નહીં સમજાયેલું.

પ્રશ્નકર્તા :દાદા, આપ જે પુદ્ગલ કહેવા માંગો છો, આખું મિશ્ર ચેતન અને પેલા લોકો જે પુદ્ગલ એટલે પૂરણ-ગલન કહેવા માંગે છે, એમાં ફરક ખરો ને ?

દાદાશ્રી :એ પુદ્ગલ અને પૂરણ-ગલન એ બધા કહે છે ખરા, પણ એટલે શું, એ ના સમજે. એવું તેવું કશું સમજે નહીં. અત્યારેય સાધુ મહારાજો નથી સમજતા.

અગિયારમું આશ્ચર્ય - અસંયતિ પૂજા

આત્મા તો પોતે પરમાત્મા જ છે. એટલે પૂજ્ય છે, લોકપૂજ્ય છે. પણ પુદ્ગલ પણ લોકપૂજ્ય

(પા.૧૫)

બની શકે એમ છે, જો કલુષિત ભાવ નીકળી જાય તો ! કલુષિત ભાવ પોતાનામાં રહ્યા ના હોય અને સામાના લીધે પોતાને કલુષિત ભાવ થાય નહીં તો પુદ્ગલ પણ લોકપૂજ્ય થઈ જાય! સામાના કલુષિત ભાવમાં પણ પોતે કલુષિત ના થાય તો પુદ્ગલ પણ લોકપૂજ્ય થઈ જાય. બીજા ભાવ ભલે રહ્યા પણ કલુષિત ભાવ ઉત્પન્ન ના થવો જોઈએ. પોતાને, સામાને, કોઈ જીવ માત્રને કલુષિત ભાવ ના કરે તો એ પૂજ્ય થઈ પડે. ‘અમે’ અમારામાં શું જોયું ? અમારામાં શું નીકળી ગયું ? આ અમારું પુદ્ગલ શાને લીધે લોકપૂજ્ય થયું છે ? અમે ‘પોતે’ તો નિરંતર ‘અમારા સ્વરૂપ’માં જ રહીએ છીએ પણ આ પુદ્ગલમાંથી સર્વ કલુષિત ભાવો નીકળી ગયા છે ! એટલે આ પુદ્ગલેય લોકપૂજ્ય થઈ પડ્યું છે ! માત્ર કલુષિત ભાવ ગયા છે, પછી ખાય છે, પીએ છે, ટેરિલીનનાં કપડાં પહેરે છે, છતાંય લોકપૂજ્ય પદ છે ! એય આ કાળનું આશ્ચર્ય છે ને !

આ ‘એ.એમ.પટેલ’ દેખાય છે તે તો મનુષ્ય જ છે, પણ ‘એ.એમ.પટેલ’ની જે વૃત્તિઓ છે અને જે એમની એકાગ્રતા છે તે ‘પર રમણતા’ય નથી ને ‘પરપરિણતિ’ પણ નથી. નિરંતર ‘સ્વપરિણામ’માં જ મુકામ છે ! નિરંતર ‘સ્વપરિણામ’ વર્લ્ડમાં કો’ક વખત, હજારો-લાખો વર્ષે હોય ! ‘સ્વરમણતા’ અમુક અંશે થાય, પણ સર્વાંશે સ્વરમણતા સંસારી વેષે ના હોય. એટલે આશ્ચર્ય લખ્યું છે ને ! અસંયતિ પૂજા નામનું ધીટ આશ્ચર્ય છે આ !

છતાં આ વિજ્ઞાન ગમે તેને, પૈણેલાનેય મોક્ષે લઈ જશે, પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવો જોઈએ. કો’ક મગજની ખુમારીવાળો હોય તે કહેશે, ‘સાહેબ, હું બીજી પૈણવા માગું છું.’ જો તારે પૈણવું હોય તો મારી આજ્ઞા લઈને પૈણજે અને પછી આ પ્રમાણે વર્તજે ! તારું જોર જોઈએ. પહેલાં શું નહોતા પૈણતા ? ભરત રાજાને તેરસો રાણીઓ હતી તોય મોક્ષે ગયા ! જો રાણીઓ નડતી હોય તો મોક્ષે જાય ખરા ? તો શું નડે છે ? અજ્ઞાન નડે છે. આટલા બધા માણસો છે, તેમને કહ્યું હોત સ્ત્રીઓ છોડી દો તો એ બધા સ્ત્રીઓ ક્યારે છોડત અને ક્યારે એમનો પાર આવત ? એટલે કહ્યું, સ્ત્રીઓ છો રહી. જો છૂટ આપી છે ને બધી !

અક્રમ થકી સ્ત્રીનો પણ મોક્ષ

લોકો કહે, મોક્ષ પુરુષનો જ થાય, સ્ત્રીઓનો મોક્ષ નહીં. એ હું એમને કહું છું કે સ્ત્રીઓનો પણ મોક્ષ થાય, કેમ ન થાય ? ત્યારે કહે, એમની કપટની ને મોહની ગ્રંથિ બહુ મોટી છે. પુરુષને આવડી નાની ગાંઠ હોય તો એમની આવડી મોટી સુરણ જેવડી હોય !

સ્ત્રી પણ મોક્ષે જશે. ભલે બધા ના કહેતા હોય, પણ સ્ત્રી મોક્ષને માટે લાયક છે. કારણ કે એ આત્મા છે અને પુરુષોની જોડે ટચમાં આવી છે, તે એનો પણ ઉકેલ આવશે પણ સ્ત્રી પ્રકૃતિને મોહ બળવાન હોવાથી વધુ ટાઈમ લાગશે !

મોક્ષ રોક્યો’તો, ‘વ્યવસ્થિત’ની શોધ કાજે

અમને પણ મોક્ષ મળતો હતો, પણ અમે ના કહ્યું. અમે અટકાવ્યો હતો. આ વ્યવસ્થિતની શોધ માટે, કે ભઈ, આવું ના હોવું જોઈએ. કંઈક આ બધા સાથે આમ મોક્ષ થાય. આ સંસારમાં બધું છોડી છોડીને એ શી રીતે ફાવે ? પણ આ પ્રમાણ થઈ ગયું. આ અપવાદ કહેવાય છે. આ અમે જે વ્યવસ્થિત આપ્યું છે ને, તે એક્ઝેક્ટ વ્યવસ્થિત છે. ‘અમને આ શોધખોળ જડશે તો જ અમારે મોક્ષે જવું છે’ એવું નક્કી કરેલું, અમારું

(પા.૧૬)

નિયાણું હતું. તે આ અમને જડ્યું અને આ બધાને આપ્યું, એક્ઝેક્ટ વ્યવસ્થિત ! કેટલાય અવતારથી એવું ખોળતો હતો કે આ બાવા બનીને આપણે એકલાએ મોક્ષે જવું નથી. ઘરના માણસોને બધાને રખડાવી મારી આપણે મોક્ષે જવું નથી. અને સંસાર શું નડે છે પણ ? સંસારનો શું દોષ છે બિચારાનો ?

આ ભવમાં તો નડે છે કોણ, કરે છે કોણ, એ શોધમાં જ પડેલો કેટલાય અવતારથી ! હું જે લાવ્યો છું ને, એ ઘણા બધા અવતારનું સરવૈયું લાવ્યો છું. સરવૈયું કરતો કરતો લાવ્યો છું. કર્તા કોણ ? આ ‘વ્યવસ્થિત કર્તા’ મેં આપ્યું. આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, એ મારું અનુભવપૂર્વક જોયેલું છે.

આ શોધ ઘણા અવતારોની, ગયા જન્મની નહીં. અને એટલે સુધી જિજ્ઞાસા કે ભવિષ્યની ચિંતા ન હોવી જોઈએ ! જો જન્મ્યો છે તો ભવિષ્યની ચિંતા કેમ હોવી જોઈએ ? એટલે આ વ્યવસ્થિતની શોધખોળ કરી લાવ્યો છું.

અમારું અનંત અવતારનું સરવૈયું ‘આ’ છે ! હું ‘જે’ લાવ્યો છું, તે અનંત અવતારથી સરવૈયું કરતો કરતો કરતો કરતો..... લાવ્યો છું. એ સરવૈયું છે, ‘વ્યવસ્થિત’ ! ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ !’ જે જગતને ચલાવે છે !

અવસ્થા માત્ર કુદરતી રચના...

આખા જગતના મનુષ્યમાત્ર મન-વચન-કાયાની અવસ્થાને પોતાની ક્રિયા માને છે. રિયલી સ્પિકિંગ કિંચિત્માત્ર કર્તા સ્વરૂપ પોતે છે નહીં. બધા અજ્ઞાન દશાના સ્પંદન છે અને તે કુદરતી રચનાથી ઉત્પન્ન થયેલા છે, તેનો કોઈ બાપોય રચનાર નથી. આ દાદાએ જાતે જોઈને કહેલું છે.

‘મન-વચન-કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચનાર નથી અને તે વ્યવસ્થિત છે.’ હા, એટલું જ જો આવડે ને, તો આગમ બધાં પૂરાં થઈ ગયા એને ! એ વાક્યમાં આટલો બધો શું સાર હશે ?

પ્રશ્નકર્તા : બધી અવસ્થાઓ ‘વ્યવસ્થિત’ને આધીન હશે માટે.

દાદાશ્રી : એટલે અવસ્થા માત્ર કુદરતી રચના છે.

પ્રશ્નકર્તા : પણ એ સંજોગોના આધારે જ ને ?

દાદાશ્રી : હા, સંજોગોના આધારે જ ને ! એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ.

‘અવસ્થા માત્ર કુદરતી રચના છે’ એવું જ્યારે ફીટ થશે ત્યારે આત્મજ્ઞાન ઉત્પન્ન થશે. તેનો કોઈ બાપોય રચનાર નથી. બાપોય કહ્યું એટલે લોકોને બહુ મઝા આવે છે. કારણ કે પછી ભડક નીકળી જાય છે ને ! કોઈ બાપોય નથી, શું કરવા અમથા ભડકો છો તે વગર કામના ? આણે કર્યું ને ફલાણાએ કર્યું, નહીં તો ગ્રહોએ કર્યું, કહેશે. અલ્યા, ગ્રહો પોતાને ઘેરે બેસી રહે કે અહીં આવે ? ગ્રહો શું કરવા કરે બિચારા ? સહુ સહુને ઘેર હોય છે. સૂર્યનારાયણ એમને ઘેર હોય છે. જો સહુ સહુનો એનો પોતાનો સ્વભાવ બતાવે છે. એમનો પ્રકાશ છે તે તો બહાર પડ્યા વગર રહે જ નહીં ને !

અમને આ જગતમાં કોઈની ભૂલ દેખાતી નથી, એનું કારણ શું કે અમને બધું જ્ઞાન હાજર હોય. પણ તમને આટલું એક વાક્ય હાજર રહે ને, તોય કોઈની ભૂલ જડશે નહીં.

(પા.૧૭)

એક-એક શબ્દની શોધખોળ છે આ

આ અક્રમ વિજ્ઞાન જ્યારે બહાર પડશે ત્યારે ખબર પડશે કે આ શું છે ! આખું જગત એક દહાડો સો-બસો વર્ષે, પાંચસો વર્ષે પણ આફરીન થશે આની પર. કોઈ જગ્યાએ સિદ્ધાંત જોવામાં જ આવ્યો નથી ને ! આ તો વિરોધાભાસ વાણી જ કોઈ દહાડો નથી નીકળી. ફ્રેશ હોય, નવું હોય, એને હેલ્પિંગ હોય.

એનું એ જ, પણ ફ્રેશ હોય. ‘ફાઈલ’ શબ્દ તો બહુ સારો અંગ્રેજીમાં મૂક્યો છે ! કારણ કે લોકો પછી પાછળ તપાસ કરવાના કે આ કયા યુગમાં થયું હશે ? એટલે અંગ્રેજોના યુગમાં આ થયું હશે એવી શોધખોળ કરશે. પછી કોઈ બાપોય રચનાર નથી, ચરોતરમાં થયેલું છે આ ! એટલે આ ભાષા ઈટસેલ્ફ (જાતે જ) બધું કહી આપશે. ખોળનારને જડી આવશે.

પ્રશ્નકર્તા : દાદા, જે આપ કહો છો તે એમ લાગે છે કે તે આ શાસ્ત્રનું જ આ જાણે વાક્ય છે એવું જ લાગે છે. ‘ફાઈલ’ શબ્દ જે મૂક્યો, હવે એનું વિવરણ કરનારા કરશે કે ફાઈલ એટલે શું ?

દાદાશ્રી : ફાઈલ શબ્દ એટલે ફાઈલ નંબર વન એવું જે બોલે છે એ આત્મા છે, એ વાત નક્કી થઈ ગઈ. એટલી બધી ઊંડી વાત છે એ. ફાઈલ એટલે જુદી છે એવી વસ્તુ, બધાંને ખબર પડે. એ શબ્દો એવા નીકળ્યા છે ને બધા ! જેટલા શબ્દો નીકળ્યા એટલા બધા એક્ઝેક્ટ થઈ ગયા ને !

પ્રશ્નકર્તા : એક્ઝેક્ટ થઈ ગયા છે.

દાદાશ્રી : છોકરાને ને પોતાને સંબંધ છે, પણ આ ફાઈલોને ને આપણે સંબંધ નથી. કારણ કે ફાઈલ હંમેશાં વેગળી જ હોય.

પ્રશ્નકર્તા : ‘ફાઈલ’ શબ્દ વાપરે તો મમતા ના રહે.

દાદાશ્રી : મમતા નહીં, તો જ ફાઈલ અને ત્યાં મમતાય ઊડી જાય પછી. આખી ઢબ જ વૈજ્ઞાનિક છે. એનો રસ્તો જ વૈજ્ઞાનિક, તેથી કલાકમાં ફળ આપે ! તમને જ્ઞાન લેતી વખતે કલાક જ થયો હતો કે વધારે લાગ્યો હતો ? પણ કેવું ઊગી નીકળ્યું ? નહીં તો કેટલા અવતારે જ્ઞાન પ્રગટ થાય ! એ તો આપણું અક્રમ વિજ્ઞાન છે તે એ એમ સમજે છે કે આ ફાઈલ નંબર ટુ, આ ફાઈલ નંબર વન. આ વન નંબરની ફાઈલને ઓળખે. વિજ્ઞાન બહુ ફર્સ્ટ ક્લાસ છે આ.

પ્રશ્નકર્તા : આ ફાઈલ નંબર વન છે, એ તો ગજબની શોધ છે !

દાદાશ્રી : એવું છે ને, આ બધી, એક-એક શબ્દ એ શોધખોળ છે, નહીં તો કરોડો અવતારેય છૂટો ના થાય માણસ.

પાંચ આજ્ઞા પાળે તો મહાવીર દશા

પ્રશ્નકર્તા : અમને તો તમે આત્મજ્ઞાન આપ્યું છે, પાંચ આજ્ઞાઓમાં રહેવાનું કહ્યું છે અને ચરણવિધિ કરવાની કહી છે. એથી વિશેષ બીજું કાંઈ અમારે કરવાનું રહે છે ?

દાદાશ્રી : પાંચ આજ્ઞાઓ અમે જે આપી છે ને, એમાંથી એક જો નિરંતર પાળો તોય બહુ થઈ ગયું.

પ્રશ્નકર્તા : તો અમને લિફ્ટમાં બેસાડી દેશો ને ? બાકીની જવાબદારી તમારીને ?

દાદાશ્રી : બધી જવાબદારી અમારી. પાંચે આજ્ઞા પાળે તો મહાવીર ભગવાન જેવી દશા રહે,

(પા.૧૮)

એ હું લખી આપું. પાંચ આજ્ઞા પાળે ને તો હું ગેરન્ટી લખી આપું કે મહાવીર ભગવાન જેટલી સમાધિ રહેશે તને ! પણ પાંચને બદલે એક પાળો ને, તોય જવાબદારી અમારી છે.

અમે જ્ઞાન આપીએ, પછી બીજું કશું કરવાનું હોતું નથી. અમારી પાંચ આજ્ઞા હોય છે ને, તે આજ્ઞામાં જ રહેવાનું છે.

આજ્ઞામાં રહ્યા ને, એટલે બસ થઈ ગયું. આજ્ઞા એ આ ભવમાં જ સંપૂર્ણ પદ આપે એવી છે. ભલે પછી આ ભવમાં દશ વર્ષ જીવવાનું હોય કે પાંચ વર્ષ, પણ એમાં પૂરું કરી આપે.

ફન્ડામેન્ટલ પાંચ આજ્ઞા

ધીઝ આર ધી ફન્ડામેન્ટલ સેન્ટેન્સિસ. આ શું છે ? આખા વર્લ્ડને તારી લે એવા આ સેન્ટેન્સ છે. વ્યવહાર-નિશ્ચયના ભેદ સહિત છે. અને આખા દિવસમાં પાંચેય આજ્ઞા એને કામ લાગે !

બસ, આ પાંચ વાક્યોમાં આખા વર્લ્ડનું બધું સાયન્સ આવી જાય છે. કોઈ જગ્યાએ એને કંઈ બાકી રહેતું નથી. આ પાંચ આજ્ઞામાં બધા શાસ્ત્રો સમાઈ જાય છે.

પ્રશ્નકર્તા : બધાનું આ દોહન તત્ત્વ છે એમ કહીએ તો ચાલે.

દાદાશ્રી : આખા વર્લ્ડનું દોહન જ છે આ ! મહાવીરના પીસ્તાળીસ આગમોનું દોહન ! પાંચ આજ્ઞામાં બધું આવી જ જાય છે, આ તો બધું હમણે ફોડ પાડવા માટે, સમજણ માટે કહું છું. બાકી ઝીણવટથી જુઓ તો બધી જ ચીજ આવી જાય છે, કોઈ બાકી નથી રહેતી.

તીર્થંકરોના પિસ્તાળીસ આગમો આવી જાય એવી આજ્ઞા આપી છે ! તે આજ્ઞા પછી નિરંતર રાખવી જોઈએ, એક ક્ષણવાર ચૂકવી ના જોઈએ. અને આજ્ઞાનું નિરંતર આરાધન એ જ મોક્ષ. કારણ કે કોની આજ્ઞા ? તીર્થંકરોનું જે જ્ઞાન એ જ્ઞાનીની મારફત નીકળેલું અને જ્ઞાનીની આજ્ઞા એ મોક્ષ કહેવાય. જ્ઞાની તો હિન્દુસ્તાનમાં જોઈએ એટલા છે બધા, પણ એ જ્ઞાની કહેવાય નહીં. જેનામાં સહેજ પણ બુદ્ધિ હોય એ જ્ઞાની ના કહેવાય. બિલકુલેય બુદ્ધિ ના હોય એ જ્ઞાની કહેવાય. કોણ જ્ઞાની કહેવાય ? બુદ્ધિ ના હોય તે.

જ્યાં બુદ્ધિ નથી ત્યાં છે આત્મજ્ઞાન

તત્ત્વ વસ્તુ જાણવી હોય તો, જ્યાં બુદ્ધિ નથી ત્યાં જ જાણવા મળે. બીજી કોઈ જગ્યાએ તત્ત્વ હોય નહીં. કારણ કે બુદ્ધિને લિમિટેશન્સ (મર્યાદાઓ) છે અને જ્ઞાન અન્લિમિટેડ છે. એ જ્ઞાની પુરુષ હોવા જોઈએ. જ્ઞાની તો વર્લ્ડમાં કો’ક જ ફેરો હોય છે. જ્ઞાની હોય જ નહીં ને ! વર્લ્ડમાં કોઈ ચીજ એવી ના હોય કે જે જ્ઞાનીના જ્ઞાનની બહાર હોય. આ દેખીને બોલું છું. આ કંઈ પુસ્તકની વસ્તુ નથી. પુસ્તકનું કામ લાગે નહીં ને ! પુસ્તકની વસ્તુ જડ હોય હંમેશાં, અને પુસ્તકમાંથી તમે ગ્રહણ કરેલી ચીજ હોય, તે શું હોય ? એ પણ જડ હોય. જ્ઞાની પાસેથી ડિરેક્ટ હોવું જોઈએ. ડિરેક્ટ પ્રકાશ હોવો જોઈએ તો જ ઉકેલ આવે. નિરંતર જાગૃતિ છે દાદાની એટલે એ સમજી શકે છે એને, આત્મા ફુલ્લી અન્ડરસ્ટેન્ડ થયેલો (સમજાયેલો) છે. આ બધું અનવેલ્ડ (નિરાવરણ) આત્માથી જ જોઈ શકાય છે.

પાંચ આજ્ઞામાં આખા વર્લ્ડનું સાયન્સ

તમને ગમીને થિયરી આ ?

પ્રશ્નકર્તા : સરસ જ છે ને ! વિજ્ઞાન છે ને આ તો !

(પા.૧૯)

દાદાશ્રી : હા, વિજ્ઞાન છે ! ને બુદ્ધિને ગાંઠતું જ નથી, એય અજાયબી છે ને ! હા, બધા જ્ઞાન બુદ્ધિને ગાંઠી જાય. અને આ જો બુદ્ધિને ગાંઠતું હોત તો આ વિજ્ઞાનને તોડી નાખત, કે’ દહાડાનુંય તોડી નાખત.

વિજ્ઞાન એનું નામ કહેવાય કે જે તર્ક-વિતર્કથી મુક્ત હોય, સરળ હોય અને ગામડિયું (ગામઠી-તળપદી ભાષામાં) હોય. અને છતાં ગમે તેવી બુદ્ધિનેય ગાંઠે નહીં પાછું ! ભલભલી બુદ્ધિઓ મેં જોઈ પણ કોઈ બુદ્ધિને આ ગાંઠતું જ નથી, એને ફેંકી જ દે છે. જેમ ઈલેક્ટ્રિસિટી હોય તે પેલાને શૉક મારે, એવી રીતે ફેંકી જ દે છે. ત્યારે વૉટપાવર કેવડો મોટો હશે ! નહીં તો બુદ્ધિ દરેક જ્ઞાનને આમળે ચઢાવે. પણ આ વિજ્ઞાન ભલભલા બુદ્ધિશાળીઓને, બુદ્ધિ ગમે તેવી હોય, પણ આ વિજ્ઞાન ગાંઠતું જ નથી. એનેય ટાઢું થયે જ છૂટકો ! અને એ દલીલ એવી ગપ્પાં મારે એવી નહીં, સ્વીકાર્ય હોવી જોઈએ, બન્ને પાર્ટીને !

બુદ્ધિશાળી એટલે શું ? એને કોઈ કાયદો નહીં, ‘નો લૉ !’ આમથી ફેંકે, આમથી ફેંકે, આમથી ફેંકે. અને આ વિજ્ઞાન એક જ લૉમાં હોય કે બીજી બાજુ ફેરવાય નહીં. છતાંય આટલી બધી રીતે ચોગરદમથી ફેંકે, બુદ્ધિ તો આમથીય ફેંકે, ઘડીકમાં આમથીય ફેંકે, ગબડાવી દેવા માટે. બુદ્ધિની ચારેય દિશા ખુલ્લી હોય ને છતાં આ વિજ્ઞાન બુદ્ધિને ગાંઠતું નથી. અને બધા સમજી જાય ને પાંચ વાક્યોમાં તો આખા વર્લ્ડનું સાયન્સ આવી જાય છે.

એબ્સૉલ્યૂટિઝમના સાયન્ટિસ્ટ

આ વિજ્ઞાન છે, આત્મ વિજ્ઞાન ! કૃષ્ણ ભગવાને જે વિજ્ઞાનસ્વરૂપ કહ્યું તે જ આ આત્મા. જ્ઞાનસ્વરૂપ આત્મા કામમાં લાગશે નહીં. વિજ્ઞાનસ્વરૂપ આત્મા, સ્પષ્ટ ચેતનસ્વરૂપે જોઈશે.

આત્મજ્ઞાન જ્યારે વિજ્ઞાનસ્વરૂપે થાય છે ત્યારે એમાં બે જુદું જુદું નથી હોતું. આત્મજ્ઞાન જ વિજ્ઞાનસ્વરૂપે થાય. આત્મજ્ઞાન તો મેં તમને આપ્યું જ છે ને, પછી એ વિજ્ઞાનસ્વરૂપે થાય. ભગવાન વિજ્ઞાનસ્વરૂપ છે, ‘જ્ઞાનસ્વરૂપે’ નથી. આ મારું વિજ્ઞાનસ્વરૂપ થયેલું. જ્યાંથી પૂછે ત્યાંથી જવાબ મળે. એ દુનિયામાં બનેલુંય નહીં. આ ઈતિહાસેય નહીં બનેલો આવો. તેથી અમે વેદના ઉપરી કહેવાઈએ ને ! નહીં તો વેદના ઉપરી ના હોય તો કંઈ બોલાય નહીં ને, શબ્દેય. આ તો જે હોય ફેક્ટ તે કહી દે ઝટ, કે ધીસ ઈઝ ધેટ.

જ્ઞાન એટલે આત્મા અને વિજ્ઞાન એટલે પરમાત્મા. આ તો ‘સાયન્સ’ છે. આત્મા-પરમાત્માનું ‘સાયન્સ’ એટલે સિદ્ધાંત ! એમાં કોઈ જગ્યાએ અંશ માત્ર ‘ચેન્જ’ (ફેરફાર) ના થાય અને ઠેઠ આરપાર કાઢી નાખે. જ્ઞાનઘન આત્મામાં આવ્યા પછી, અવિનાશી પદને પામ્યા પછી વિજ્ઞાનઘનને જાણવું જોઈએ.

વિજ્ઞાની ક્યારે થઈ શકે ? મનની આખી ગ્રંથિઓ ઓળંગી જાય, બુદ્ધિના બધા પર્યાયો ઓળંગી જાય, પછી ‘જ્ઞાન’ના પર્યાયો શરૂ થાય, એય પછી ઓળંગી જાય ને ‘જ્ઞાન’ની બહાર નીકળે, ત્યારે ‘વિજ્ઞાનઘન આત્મા’ થાય !

વિજ્ઞાનઘન એટલે બધામાં ‘હું જ છું’ એવું દેખાય, એ વિજ્ઞાનઘન આત્મા કહેવાય. બંધાયેલો છતાંય મુક્ત રહે ! ‘જ્ઞાની પુરુષ’ તો ધર્માધર્મ આત્માથી પર ને જ્ઞાનઘનથીયે પર વિજ્ઞાનઘન આત્મામાં હોય, કેવળ મુક્ત પુરુષ !

‘જ્ઞાની પુરુષ’ પોતે ‘થિયરી ઑફ

(પા.૨૦)

એબ્સૉલ્યૂટિઝમ’માં જ નહીં પણ ‘થિયરમ ઓફ એબ્સૉલ્યૂટિઝમ’માં હોય. આખા ‘વર્લ્ડ’નું પુણ્ય જાગ્યું કે આ ‘અક્રમ વિજ્ઞાન’ નીકળ્યું, વિજ્ઞાનઘન આત્મા નીકળ્યો !

આ જર્મનીવાળાઓ એબ્સૉલ્યૂટિઝમ (પરમ તત્વ)ને ખોળે છે. તે અહીંના શાસ્ત્રોના શાસ્ત્રો ઉપાડી ગયા છે ને શોધખોળ કરે છે. અલ્યા, એમ જડે તેમ નથી. આ આજે અમે જાતે જ પ્રત્યક્ષ એબ્સૉલ્યૂટિઝમમાં છીએ. જગત આખું થીયરી ઓફ રિલેટિવીટીમાં છે. આ અમારા મહાત્માઓ થીયરી ઓફ રીયાલિટીમાં છે અને અમે જાતે થીયરી ઓફ એબ્સૉલ્યૂટિઝમમાં છીએ. થીયરી જ નહીં પણ થીયરમમાં છીએ.

થીયરી ઑફ રિલેટિવિટી, થીયરી ઑફ રિયાલિટી એન્ડ ધી એબ્સૉલ્યૂટિઝમ થીયરી. તે એબ્સૉલ્યૂટમાં રહીને વાત કરીએ છીએ, આ રિયાલિટીની !

પ્રશ્નકર્તા :હું પોતે જે ભણ્યો છું ને જે જાણું છું એ હું ભણાવું છું મારા વિદ્યાર્થીઓને. પણ વિદ્યાર્થીઓને એ મારી જે સમજમાં છે એ એમની સમજમાં આવે એટલા માટે મારે એમના લેવલ ઉપર પહેલું જવું પડે છે અને પછી આસ્તે આસ્તે એમને ઉપર લાવવા પડે છે.

દાદાશ્રી :યસ, યસ, રાઈટ.

પ્રશ્નકર્તા :તો એ પછી મારી કક્ષાએ આવી શકે કે મારાથી પણ ઉપર જઈ શકે. તો તમે એવું નીચે આવીને અમને ઉપર નથી લઈ જઈ શકતા ?

દાદાશ્રી :ત્યાં (રિયાલિટીમાં) ભાષા નથી રહી. રિયાલિટીમાં ભાષાથી તમને સમજાય ખરું, પણ તમને એબ્સૉલ્યુટ બતાવી શકે નહીં એ. અત્યાર સુધી મેં આ નીચે ઉતરીને જ વાત કરી છે તમારી જોડે.

પ્રશ્નકર્તા :રિયાલિટી વિષે કંઈ પણ રસ જાગે એવું થોડું કહો.

દાદાશ્રી :બાય રિયલી સ્પિકીંગ, ધેર આર સિક્સ ઈટર્નલ એલિમેન્ટસ્ ઈન ધીસ વર્લ્ડ. બાય રિલેટિવલી સ્પિકીંગ, ધેર આર ઑન્લી ફેઝીઝ, નો ઈટર્નલ એલિમેન્ટ. (રિયલ દ્રષ્ટિએ આ જગતમાં છ અવિનાશી તત્ત્વો છે. રિલેટિવ દ્રષ્ટિએ માત્ર અવસ્થાઓ છે, અવિનાશી તત્ત્વ નથી.)

પ્રશ્નકર્તા :એટલે રિલેટિવ ફરી કહો, રિલેટિવમાં શું કહ્યું તમે ? રિલેટિવમાં ફેઝીઝ છે ?

દાદાશ્રી :રિલેટિવમાં ફેઝીઝ છે અને આ રિયલમાં ઈટર્નલ છે. ધેર આર સિક્સ ઈટર્નલ એલિમેન્ટસ. વર્લ્ડની ઑરિજિનાલિટી આ છે. વર્લ્ડમાં શું છે ઓરિજિનમાં ? તો આ છે, એથી આગળ કશું છે નહીં.

રિયલ અને રિલેટિવ

જે સનાતન હોય એને જ રિયલ કહેવામાં આવે છે અને એમના ભેગા થવાથી મિક્ષ્ચર સ્વરૂપે જે બધું ઊભું થયું એ રિલેટિવ.

પ્રશ્નકર્તા :રિયલ ને રિલેટિવ તે બેને શું સંબંધ છે ? લિંક શું ?

દાદાશ્રી :રિયલ પરમેનન્ટ વસ્તુ છે. હવે છ તત્ત્વોમાં શુદ્ધ ચેતન પરમેનન્ટ છે ને બીજા પાંચ જે પરમેનન્ટ છે, એમાં ચેતન ભાવ નથી. બીજા અનંત પ્રકારના ગુણધર્મો છે. તે બધાના ગુણધર્મોને લઈને આ રિલેટિવ ભાવ ઉત્પન્ન થયો છે ખાલી. આત્મા તો નિરંતર આત્મા જ રહે છે. આ ગધેડામાં, કૂતરામાં, દરેકમાં આત્મા ચેતનરૂપે

(પા.૨૧)

જ રહે છે, નિરંતર. ક્ષણવારેય બદલાયો નથી, ફક્ત બિલીફ (માન્યતા) રોંગ થાય છે.

પ્રશ્નકર્તા :રિયાલિટી એ રિયલનું આવિર્ભાવ છે આ ?

દાદાશ્રી :હા, એ આવિર્ભાવ જ છે. બીજું કંઈ છે જ નહીં.

વાસ્તવિકતામાં દેખાય પરમેનન્ટપણું

પ્રશ્નકર્તા :એ વાસ્તવિકતામાં જે દેખાય, એમાં શું દેખાય ?

દાદાશ્રી :પરમેનન્ટપણું. આ જગતમાં રિલેટિવ ટેમ્પરરીપણું બતાડે છે.

પ્રશ્નકર્તા :આ બધું ટેમ્પરરી દેખાય છે.

દાદાશ્રી :હવે પરમેનન્ટ દેખાતું નથી. જ્ઞાની પુરુષ જ્ઞાન આપે ત્યારે પોતાની દ્રષ્ટિ પરમેનન્ટને જોઈ શકે. હવે પરમેનન્ટ એકદમ જોવાય નહીં. પણ ‘પોતે’ પરમેનન્ટ થયો એટલે ધીમે ધીમે ધીમે પરમેનન્ટ દેખાતું જાય પછી. તે છેવટે આ પરમેનન્ટમાં છે કેટલું ? છેવટે આ છ તત્ત્વો છે, એ જ દેખાય. આ તમારે (આ જ્ઞાન લીધા પછી) એક ચેતન એકલું જ દેખાય અત્યારે. પુદ્ગલ પરમાણુ ક્યારે દેખાય ? કેવળજ્ઞાન થાય ત્યારે. પણ આ માર્ગ મૂળ અવિનાશી તત્ત્વ જોવાનો છે.

થીયરી ઑફ રિયાલિટી તત્ત્વને સ્પર્શ કરે છે. કોઈ સંતો-મહંતો તત્ત્વથી ભગવાન શું છે તે સમજતા નથી. તેઓ તેમના વિચાર અને કલ્પનાથી જ સમજે છે.

જ્ઞાની આપણો આત્મા, ત્યાં બધું પૂછાય

પ્રશ્નકર્તા : આપની દરેક વાત નવો જ દ્રષ્ટિકોણ આપતી હોય છે.

દાદાશ્રી : નવો જ દ્રષ્ટિકોણ આપે છે, નહીં ?

પ્રશ્નકર્તા : નવો જ, એની કલ્પનામાં પણ ના આવે, કે આવું ? આ સામાન્ય વાતનું પૃથક્કરણ જ્ઞાનીની વાણીમાં કંઈક જુદું જ હોય છે.

દાદાશ્રી : હા. આ બધું પૃથક્કરણ રૂપે મૂકી દીધેલું છે. આખો બધો જ ફોડ મૂકી દીધેલો છે.

પ્રશ્નકર્તા : આપનું કેવું છે, કે પૂછનારનો પ્રશ્ન નીકળ્યો ને, તો આપનું આખું એ બાજુનું વિઝન ઊભું થઈ જાય છે.

દાદાશ્રી : હા, એ બાજુનું વિઝન ઊભું થઈ જાય.

પ્રશ્નકર્તા : આપને લાખો પ્રશ્નો પૂછાયા હશે, આડા-અવળા, ગાંડા-ઘેલા, પણ આપની મહીંથી વિજ્ઞાન જ નીકળે છે.

દાદાશ્રી : હા. એટલે મારું કહેવાનું કે આ ગમે તેવું પૂછે, આપણને લાભ છે ને ! એ ખોટું શું છે ? એટલે આપણે એ જોવાનું છે કે વિજ્ઞાન શું નીકળે છે ! એ જુઓને આપણે ! અને આ જોવાનું ચૂકે, તો એ ‘ચૂકનાર’નેય ‘આપણે’ જોવાનો. બસ, બીજું કશું નથી. આપણે ત્યાં બીજી કશી ભાંજગડ જ નથી ને !

બીજું કંઈ પૂછવું છે ? બધું પૂછીને ખુલાસા કરી લેજો. પછી તમારા મનમાં આંટી રહી ના જાય. આ વિજ્ઞાન છે, એટલે ખુલાસા બધા પૂછી લેવા જોઈએ. જ્યાં જ્યાં આપણને હરકત લાગે ત્યાં પૂછી લેવું. એમાં કંઈ આબરૂ જાય નહીં કે હજુ આ પૂછશો તો... એ તો વીસ વર્ષથી બેસતો હોય તેણેય પૂછવું જોઈએ તો પુદ્ગલનો નિકાલ થાય. જ્ઞાની પુરુષ પાસે પૂછાય, કારણ કે કૃપાળુદેવે

(પા.૨૨)

શું કહ્યું કે જ્ઞાની પુરુષ એ જ આપણો આત્મા છે. માટે ત્યાં પૂછવાનું. પેલો આત્મા અત્યારે જવાબ આપશે નહીં. તે જ્યાં સુધી પેલો આત્મા જવાબ આપતો ના થાય ત્યાં સુધી અહીંથી જવાબ લેવા.

છેલ્લા સ્ટેશને પ્રશ્નોત્તરી હોય

આ પ્રવચન ન હોય કે વ્યાખ્યાન ન હોય. કારણ કે આ છેલ્લું સ્ટેશન છે. અહીં તો પ્રશ્નોત્તરીરૂપે હોય. હંમેશાં લાસ્ટ સ્ટેશન, છેલ્લામાં છેલ્લી હદ ક્યારે આવે ? રેલવે ક્યારે પૂરી થાય ? જ્યારે પ્રશ્નોત્તરી થાય ત્યારે. પ્રશ્નોત્તરી થાય કે જાણવું કે હવે અહીં ગાડી બંધ થવાની, એટલે મુક્તિ ! જેને છેલ્લે સ્ટેશને જવું હોય તેણે પ્રશ્નોના ઉત્તરરૂપી ખુલાસા કરી લેવા. બાકી બીજા બધા વચલા સ્ટેશનો છે. એ સ્ટાન્ડર્ડો છે, તેમાં પ્રશ્નોત્તરી ના હોય. ત્યાં આગળ શાસ્ત્રનું વાંચન હોય, એવું તેવું બધું હોય. તેમાં વ્રત-નિયમો હોય. એટલે બધીય જાતની જરૂર ને ! સ્ટાન્ડર્ડનીય જરૂર, ઉપલા સ્ટાન્ડર્ડનીય જરૂર અને આઉટ ઓફ સ્ટાન્ડર્ડનીય જરૂર. આઉટ ઓફ સ્ટાન્ડર્ડ એટલે મુક્ત જ થઈ ગયો.

આખી ગીતા પ્રશ્નોત્તરી રૂપે છે. અર્જુન પ્રશ્ન પૂછે છે ને કૃષ્ણ ભગવાન જવાબ આપે છે. કૃષ્ણ ભગવાને ગીતામાં કંઈ પ્રવચન નથી કર્યું. પ્રશ્નો પૂછયા તેના જવાબ જ આપ્યા છે. એ પ્રવચન કરે જ નહીં ને ! છેલ્લું વિજ્ઞાન વ્યાખ્યાન રૂપે ના હોય, પ્રશ્નોતરી રૂપે હોય. અંતે અર્જુનને જે સંદેહ થયો, એને શંકા થઈ એના જવાબ આપ્યા છે બસ. એનું નામ ધર્મ. ગીતા એ ‘પરિપ્રશ્નેન’ થયેલું છે. પરિપ્રશ્નેન એટલે અર્જુને પ્રશ્નો પૂછ્યા અને કૃષ્ણ ભગવાન જવાબ આપે. એ આખી ગીતાનો સાર છે.

એટલે કૃષ્ણ ભગવાને શું કહ્યું ? પરિપ્રશ્ન એટલે પ્રશ્નો પૂછી અને છેલ્લા સ્ટેશને આવજો. બાકી પ્રશ્નો વગર છેલ્લા સ્ટેશને અવાય નહીં.

અને મહાવીર ભગવાને પણ પ્રશ્નોત્તરી રૂપે જ કહ્યું છે. ભગવાન મહાવીર અને ગૌતમસ્વામી, એમનુંય પ્રશ્નોત્તરી રૂપે ! ગૌતમસ્વામી, એ બધા અગિયાર ગણધરો પૂછયા કરે છે અને ભગવાન મહાવીર જવાબ આપે છે. એ ગણધરોએ જે પૂછયું, એ જ આખું મહાવીર ભગવાનનું શાસ્ત્ર લખાયેલું છે.

સર્વે આગમોના ફોડ અહીં

તમે જે પૂછો તેના જવાબ બધા અહીં મળે. આખા વર્લ્ડમાં કોઈ એવો આધ્યાત્મિક પ્રશ્ન નથી કે જેનો અહીં જવાબ ના મળે. પિસ્તાળીસેય આગમના બધા જ જવાબ સંપૂર્ણ ! હા, તો જ ઉકેલ આવે ને ! નિવેડો આવે ને !

પ્રશ્નકર્તા :દાદા, આપની પાસે જ્યારથી આવ્યો છું ત્યારથી આપ એક શબ્દકોષ જેવા જ મને દેખાવ છો. જ્યારે કંઈક અમે ગૂંચાઈએ ત્યારે આપની પાસે પૂછવા આવીએ એટલે તરત જ એનો ખુલાસો આપો છો.

દાદાશ્રી :બધા ખુલાસા, બધું દર્શન પ્રાપ્ત કરેલું છે. ચોવીસ તીર્થંકરોનું ભેગું દર્શન પ્રાપ્ત કરેલું છે. જેને જે ગૂંચવાડા હોય તેનો ખુલાસો તરત મળશે. તેનું જ્ઞાન થયું નથી પૂર્ણતાએ પણ દર્શન તો છે જ.

એટલે આ અક્રમ વિજ્ઞાન આખું સૈદ્ધાંતિક સ્વરૂપે છે. જ્યાંથી પૂછો ત્યાં સિદ્ધાંતમાં જ પરિણમે. કારણ કે સ્વાભાવિક જ્ઞાન છે આ. કોઈ પણ વસ્તુ જ્ઞાનમાં આવેલી, ફરી એ વસ્તુ અજ્ઞાનમાં ન જાય. વિરોધ ઉત્પન્ન ના થાય. દરેકના સિદ્ધાંતને હેલ્પ કરી કરીને સિદ્ધાંત આગળ વધતો જાય ને

(પા.૨૩)

કોઈનોય સિદ્ધાંત તોડે નહીં. વિરોધાભાસ ઉત્પન્ન ના થાય.

અક્રમ વિજ્ઞાન - અવિરોધાભાસ ને સૈદ્ધાંતિક

એટલે વીતરાગોનો સિદ્ધાંત કેવો હોય ? અવિરોધાભાસ. આગળ જે વીતરાગ થઈ ગયા તેમનો જ સિદ્ધાંત છે આ. આ કંઈ જ્ઞાન નવું ઉત્પન્ન થતું નથી અને જૂનું જતું નથી. એનું એ જ જ્ઞાન ચાલ્યા કરે છે.

સિદ્ધાંત એટલે, જડભાવો અને ચેતનભાવો, જે ભગવાને જોયા એને સિદ્ધાંત કહેવાય. હા, જડ અને ચેતન નહીં, જડભાવો અને ચેતનભાવો એ જ અવલોક્યા. બાકી ભાવો તો રહેવાના જ. એ ભાવોનું ભાન નથી થાય એવું, બળ્યું !

અબજ રૂપિયા આપવાથી ના મળે, આમાંનો એક અક્ષર સાંભળવાનો નહીં મળે. આ પરપોટો જીવે છે ત્યાં સુધી કામ કાઢી લો, પછી અક્ષરેય સાંભળવાનો મળે નહીં. આ બધાને તો હજી પચશે ત્યારની વાત છે ને ! બાકી પચવું સહેલું નથી. પોતાને ફાયદો થઈ જાય. સિદ્ધાંત હાથમાં આવી જાય પણ પચ્યા પછી ઊગે. એ તો વાત જ જુદી ને ! ઉગશે થોડુંઘણું પણ તે આવું ના ઉગે ને ! આવી અજાયબી ના ઊગે ! એટલે થોડુંઘણું ઊગશે. અમારા આશીર્વાદ છે. અમે આશીર્વાદ હઉ આપીએ !

નક્કી કરેલું જ્ઞાન એ ‘જ્ઞાન’ ના કહેવાય. નક્કી કરેલું જ્ઞાન એ ‘સિદ્ધાંત’ કહેવાય. કોઈ પણ વસ્તુ સિદ્ધ થઈ પછી એનો અંત આવી ગયો. ફરી એને સિદ્ધ કરવી પડે નહીં. કાયમને માટે ત્રિકાળ સિદ્ધ હોય, એનું નામ ‘સિદ્ધાંત’ કહેવાય ! જ્યાં સુધી ‘સ્પષ્ટ વેદન’ થાય નહીં, ત્યાં સુધી ‘સિદ્ધાંત’ પ્રાપ્ત ના થાય.

જ્ઞાન કોનું નામ કહેવાય ? બધી રીતે તાળો મળવો જોઈએ, વિરોધાભાસ ઉત્પન્ન થવો ના જોઈએ. અવિરોધાભાસ ‘સિદ્ધાંત’ તો એનું નામ કે પચાસ વર્ષ પછીયે એ બોલે તો એનું વાક્ય મળતું આવે, વિરોધાભાસ ના થાય.

સર્વજ્ઞના હૃદયમાં અજાયબ જ્ઞાન

આ જ્ઞાન એ એક અજાયબી છે ને ! જ્ઞાન સર્વજ્ઞના હૃદયમાં હોય, તે અમારા હૃદયમાં છે. સર્વજ્ઞ પદ ઉત્પન્ન થયા વિના એક પણ વસ્તુ કોઈનેય દેખાય નહીં. મને સર્વ વસ્તુ જેમ છે તેમ દેખાય છે. આ જગતનું કોઈ પરમાણુ બાકી નથી, કોઈ તત્ત્વ એવું નથી કે મારા જ્ઞાનની બહાર હોય. જગતના દરેક તત્ત્વોનો જ્ઞાની છું.

અમે આ શાસ્ત્રો કરતા વિશેષ જ્ઞાન બોલીએ બધું. અમારું જ્ઞાન શાસ્ત્રોથી વિશેષ જ્ઞાન હોય. તે બધું કેવળજ્ઞાનના અંશો કહેવાય છે. જે બીજા લોકોને, કોઈને ના દેખાય, એ ભાગ દેખવાથી અમે કહી આપીએ અહીં આગળ.

હું જ્ઞાનસ્વરૂપની બહારે એક સેકન્ડેય નથી રહ્યો, કોઈ વખત. જ્ઞાન સ્વરૂપની બહાર સેકન્ડેય ના રહેવું એનું નામ કેવળજ્ઞાન કહેવાય. કેવળજ્ઞાન એ વસ્તુ જુદી છે અને કેવળજ્ઞાન સ્વરૂપ એ વસ્તુ જુદું છે. કેવળજ્ઞાન એટલે બધા જ જ્ઞેયો ઝળકવા. અમને બધા જ્ઞેયો ઝળક્યા નથી પણ ઘણા ખરા જ્ઞેયો ઝળક્યા તેથી તો અમારી વાણીમાં તમને નવું નવું સાંભળવાનું મળે કે નવા નવા ઊંડા ઊંડા પોઈન્ટો જાણવા મળે. બધી નવી નવી વાતો અને શાસ્ત્રની બહારની જ બધી વાતો ! એ તો કેવળજ્ઞાનના બધા પર્યાય છે, પણ સંપૂર્ણ સ્વરૂપે ઝળક્યું નથી. ચાર ડિગ્રી ઓછું રહ્યું. એટલે હું જ્ઞાની પુરુષ તરીકે રહ્યો છું. તેથી હું મારી જાતને ભગવાન કહેવડાવતો નથી. જો મને પોતાને

(પા.૨૪)

કેવળજ્ઞાન પ્રગટ થયું હોત તો ભગવાન કહેવાત, પણ આ કાળમાં થાય એવું નથી.

અમે વીતરાગ ધર્મના આધારે ‘ભેદજ્ઞાની’ કહેવાઈએ પણ આમ છે તે ‘કારણ સર્વજ્ઞ’ કહેવાઈએ. આ તો અમને આત્માનો અનુભવ થયેલો, એટલે આ જગતમાં કોઈ ચીજ જાણવાની બાકી ના હોય.

અમારું ઈન્વેન્શન છૂટવા માટે

એટલે હવે એક જ ધ્યેય નક્કી કરી નાખવાનો કે) કેવળ ‘શુદ્ધાત્માનુભવ’ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ ‘મને’ ખપતી નથી. હા, કંઈ જોઈતું જ નથી. અને માર ખાઈને મોક્ષે જવું છે.

પ્રશ્નકર્તા :માર ખાધા પછી ‘રિસર્ચ’ ઉપર જાય છે ને ?

દાદાશ્રી : હા, ખરી ‘રિસર્ચ’ તો માર ખાધા પછી જ થાય. માર આપ્યા પછી ‘રિસર્ચ’ ના થાય.

આ મારું ‘ઈન્વેન્શન’ શાથી થયેલું છે ? માર ખાવાથી થયેલું છે. હું એવી એવી ખાઈઓમાંથી નીકળ્યો છું, એવા એવા ‘હિલ સ્ટેશન’ ઉપર ચઢ્યો છું... બીજું, મારે જગતની કોઈ ચીજ જોઈતી નથી, જગતમાં તમેય ચઢેલા છો, આ બધા જ ચઢેલા છે. પણ એમને જ્ઞાતા-દ્રષ્ટાપણું ના હોય, પોતાનું નિરીક્ષણ ના હોય, ખાવામાં-પીવામાં, મસ્તીમાં તન્મયાકાર હોય. તેથી પેલું બધું ભૂલી જાય. અમારું નિરીક્ષણ કેટલાય અવતારનું છે !

જો તમારે છૂટકારો મેળવવો હોય તો એક ફેરો માર ખાઈ લો. મેં આખી જિંદગી એવું જ કર્યું છે. ત્યાર પછી મેં તારણ કાઢ્યું કે મને કોઈ જાતનો માર રહ્યો નહીં, ભય પણ રહ્યો નહીં. મેં આખું ‘વર્લ્ડ’ શું છે, એનું તારણ કાઢ્યું છે. મને પોતાને તો તારણ મળી ગયું છે, પણ હવે લોકોને પણ તારણ કાઢી આપું છું.

વીજળીના ઝબકારે મોતી પરોવાયું

અલ્યા, જ્ઞાની જગતમાં કેટલા હોય ? પાંચ કે દસ ? એ તો કો’ક કાળે જ્ઞાની પાકે. અને તેમાંય અક્રમ માર્ગના જ્ઞાની તો દસ લાખ વર્ષે પાકે અને તેય આવા વર્તમાન આશ્ચર્યયુગ જેવા કળિયુગમાં જ ! લિફ્ટમાં જ ઊંચે ચઢાવે. પગથિયાં ચઢીને હાંફવાનું નહીં. અલ્યા, ઝબકે મોતી પરોવી લે ! આ વીજળીનો ચમકારો થયો છે ત્યારે તારું મોતી પરોવી લે. પણ ત્યારે મૂઓ દોરો ખોળવા જાય ! શું થાય ? પુણ્યૈ કાચી પડી જાય.

કો’ક વખત એવો ગજબનો પુરુષ પાકે ને ત્યારે પોતાને જાતે બોલવું પડે છે ! આ વીતરાગોના ‘સાયન્સ’ની બહુ ઊંચી શોધખોળ છે ! કેવું ગૂઢાર્થ ! અત્યંત ગુહ્ય ! આ ‘રિયલ’ ને આ ‘રિલેટિવ’નો ભેદ પાડવો, તે ‘જ્ઞાની પુરુષ’ સિવાય બીજા કોઈનું કામ જ નહીં ને ! આ તો મોટું વન્ડર છે, ઈલેવન્થ વંડર ઓફ ધ વર્લ્ડ, નહીં તો વર્લ્ડમાં આવું હોઈ શકે નહીં. આવું સાંભળવામાં જ ના આવ્યું હોય !

એટલે આ પૂર્ણ પ્રગટ તમારું થયું છે, એટલે બધી જ ક્રિયા થઈ શકે એમ છે. સંસારની સર્વસ્વ ક્રિયા થઈ શકે અને આત્માની સર્વસ્વ ક્રિયા, બંને પોતપોતાની ક્રિયામાં રહે, સંપૂર્ણ વીતરાગતામાં રહીને , એવું આ અક્રમ વિજ્ઞાન છે !

‘વિજ્ઞાન’ એટલે ચેતન છે આ. એટલે તમારે કશું કરવું ના પડે. એ જ્ઞાન જ ચેતવે તમને. આ જ્ઞાન જ ‘ઈટસેલ્ફ’ કામ કર્યા કરે. એટલે આ ‘અક્રમ વિજ્ઞાન’ છે.

(પા.૨૫)

આ વિજ્ઞાન છે, તરત ફળ આપનારું છે. અક્રમ વિજ્ઞાન છે ! ઉદય આવેલું છે મને. આ મારું જ્ઞાન નથી, આગળનું, પરંપરાથી ચાલુ આવ્યું છે. પણ આ જુદી ઢબે આવ્યું છે. બે જ કલાકમાં માણસનું કામ કાઢી નાખે. નહીં તો સો-સો, પચીસ-પચાસ વર્ષ સુધી સાધનાઓ કરવી પડે. આ વગર સાધનાએ, અક્રમ વિજ્ઞાન તમારું કામ કાઢી નાખે.

જો કેવી અજાયબી ! દસ લાખ વર્ષમાં આ મોટામાં મોટી અજાયબી છે ! ઘણા લોકોનું કલ્યાણ કરી નાખ્યું !

દાદાના જ્ઞાન બુલડોઝરથી કલ્યાણ

વર્લ્ડના તમામ પ્રશ્નોનું સોલ્યુશન (ઉકેલ) કરનારી આ ઑબ્ઝરવેટરી છે.

પ્રશ્નકર્તા : આ જગતમાં ચાલેલી માન્યતાઓ, એના ઉપર દાદાના જ્ઞાનથી બુલડોઝર ફરી ગયું.

દાદાશ્રી : બુલડોઝર ના ફેરવે તો લાખ અવતારેય છૂટાય નહીં. આ બધું ક્રમિક એટલે આમ કાનબુટ્ટી પકડવી અને અક્રમ એટલે આમ પકડવાની. બધું બુલડોઝર ફેરવી નાખો ત્યારે. પણ આ જ્ઞાન જ જો પકડી લે ને, તોય કામ થઈ જાય. દરઅસલ વિજ્ઞાન જેમ છે તેમ બહાર પાડ્યું છે. કેટલું થઈ રહ્યું છે, કેટલું કરવું પડે છે, કેટલું થઈ જાય છે, બધું કહી નાખેલું છે. ડિસ્ચાર્જ કોઈએ કહ્યું જ નથી. ડિસ્ચાર્જનું સ્વરૂપ આ પહેલામાં પહેલું આપણે કહીએ છીએ. અક્રમ વિજ્ઞાનમાં બધું જ જે કહીએ છીએ તે બધું પહેલી વાર કે પ્રથમ છે વસ્તુ.

મારી ભાવના, તીર્થંકરોનું વિજ્ઞાન પામે જગત

ધીસ ઈઝ કૅશ બેન્ક ઈન ધી વર્લ્ડ ! (જગતમાં આ રોકડી બેન્ક છે !) એક કલાકમાં તને રોકડું જ તારા હાથમાં આપી દઉં છું. રિયલમાં બેસાડી દઉં છું. બીજે બધે જ ઉધાર છે. હપ્તા ભર્યા કરો. અલ્યા, અનંત અવતારથી તું હપ્તા ભર ભર કરું છું ને હજુ ઉકેલ કેમ નથી આવતો ? કારણ કે રોકડું કોઈ અવતારમાં મળ્યું જ નથી.

બે કલાકમાં આવું બનેલું સાંભળવામાં આવ્યું છે કોઈ દહાડોય ? બે કલાકમાં તમે શુદ્ધાત્મા થઈ ગયા એવું સાંભળવામાં આવેલું ? પણ વૈજ્ઞાનિક ઢબ છે આ અને તીર્થંકરોનું જ્ઞાન છે આ. આ મારું આગવું નથી. આ ઢબ જે છે તે મારી આગવી છે, અક્રમની ઢબ !

આ વિજ્ઞાન છે, આ તો ત્રણે કાળનું વિજ્ઞાન છે ! ભૂતકાળમાં હતું, વર્તમાનકાળમાં છે, ભવિષ્યકાળમાં બદલાશે નહીં, એવું વિજ્ઞાન છે આ તો. તમને નથી લાગતું આ વિજ્ઞાન છે દાદાનું ?

આ વિજ્ઞાન બીજા કરતાં તદ્દન જુદું છે. આ વિજ્ઞાન કો’ક વખત, એની મેળે ઊભું થાય છે. આ વિજ્ઞાન કંઈ મારું બનાવેલું નથી, આ ઊભું થયેલું છે. તે અહીં જેટલાનું કામ નીકળ્યું એટલું કામ નીકળી ગયું. પણ શાસ્ત્રકારોએ સોળમા તીર્થંકરના વખતમાં, બહુ મોટું લખેલું છે કે પાંચમા આરામાં ઘણા લોકો કામ કાઢી જશે.

અમારી એ જ ભાવના છે કે ભલે એક અવતાર મોડું થશે તો વાંધો નથી, પણ આ ‘વિજ્ઞાન’ ફેલાવું જોઈએ અને ‘વિજ્ઞાન’ લોકોને લાભ કરવું જોઈએ. તેથી ખુલાસો કરવા માટે હું આવ્યો છું.

મારો ‘આઈડિયા’ એવો છે કે આખા જગતમાં ‘આ’ ‘વિજ્ઞાન’ની વાત ખૂણે ખૂણે પહોંચાડવી અને દરેક જગ્યાએ શાંતિ થવી જ જોઈએ. મારી ભાવના, મારી ઈચ્છા જે કહો તે મારું આ જ છે !

જય સચ્ચિદાનંદ