અનુકૂળતા-પ્રતિકૂળતામાં સમાનતા

સંપાદકીય

અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાને આ કળિયુગમાં અત્યંત સરળ અને સાદી શૈલીમાં મોક્ષમાર્ગ ખુલ્લો કર્યો છે. જીવનના દરેક પ્રસંગોમાં ઊભી થતી મૂંઝવણના સમાધાન આપ્યા છે, કે જેનાથી રાગ-દ્વેષ ના થાય, નવા કર્મો ના બંધાય અને આવી પડેલા કર્મોનો સમભાવે નિકાલ થાય. એમની વાણી હૃદયમાં ઉતરતા જ કોઈ પણ સંયોગો કે વ્યકિત બદલ્યા વગર જ વ્યવહારમાં દરેક ગૂંચવાડાનો અંત આવે છે ને અંદર મુક્તિનો અનુભવ થાય છે.

જીવનના પ્રત્યેક સંયોગ સામે આપણે મહાત્માઓ પાંચ આજ્ઞાની જાગૃતિથી, રિયલ-રિલેટિવના પુરુષાર્થથી છૂટું પાડવાનો પ્રયત્ન કરીએ છીએ પણ આ પ્રકૃતિ સામે જ્યારે અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગો આવે છે, ત્યારે મહીં અહંકાર-બુદ્ધિ કૂદાકૂદ કરી મૂકે છે. પ્રતિકૂળતામાં અકળાઈ જાય છે અને અનુકૂળતામાં ખેંચાઈ જાય છે. એ જ અજાગૃતિ કહેવાય છે. અનુકૂળતામાં મસ્તીમાં આવી જાય છે, કારણ કે એમાં લોભ-કપટ એટલે કે રાગ કષાય ઊભા થાય છે, જ્યારે પ્રતિકૂળતામાં કંટાળી જાય છે, જેથી ક્રોધ-માન એટલે કે દ્વેષ કષાય ઊભા થાય છે.

પરમ પૂજ્ય દાદાશ્રી હંમેશા પ્રતિકૂળતા વધાવતા અને અનુકૂળતામાં કાયમ ચેતતા. અનુકૂળ આવે તોય પ્રતિકૂળ કરી નાંખતા. કારણ કે પ્રતિકૂળતામાં આત્માની જાગૃતિ વધે. પ્રતિકૂળ હોય ત્યારે બાહ્ય ભાગ એબ્સન્ટ (ગેરહાજર) હોય અને આત્મા હાજર હોય. અનુકૂળમાં બાહ્ય ભાગ પ્રેઝન્ટ (હાજર) હોય. એટલે આત્મા થવું હોય તો પ્રતિકૂળતા હિતકારી છે. જ્યારે પ્રતિકૂળતા આવે ત્યારે દાદાશ્રી પ્લસ-માઈનસનું એડજસ્ટમેન્ટ લઈ લેતા. આમ પ્રતિકૂળતાને અનુકૂળતા કરી નાખતા. તેઓ હંમેશા કહેતા કે ‘આ જે ભૂલો કરાવે છે ને જે ઝોકું ખવડાવે છે, તે અનુકૂળતા જ કરાવે છે.’ માટે જેને મોક્ષે જવું હોય તેણે પ્રતિકૂળતા એ અનુકૂળતા જ છે, એવી ગોઠવણી કરવી જોઈએ. જગત જેને પ્રતિકૂળ કહે એને આપણે અનુકૂળ કહીએ છીએ. અનુકૂળતા-પ્રતિકૂળતામાં સમાનતા આવશે તો કોઈ પરિસ્થિતિ દુઃખદાયી રહેશે જ નહીં. નથી ફાવતું ત્યાં જ એડજેસ્ટમેન્ટ થાય તો વીતરાગ રહેવાશે.

પ્રસ્તુત અંકમાં રોજિંદા જીવનમાં જે કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો આવે તેની સામે આત્માની જાગૃતિ કેવી રીતે રાખવી તે બાબતે અનુભવની પ્રેક્ટિકલ ચાવીઓ મળે છે. તે ચાવીઓનો ઉપયોગ કરી આપણે સહુ મહાત્માઓ દ્રઢ નિશ્ચયપૂર્વક અનુકૂળ અને પ્રતિકૂળ બંને સંજોગોમાં સમાનતા રાખી, અને સાથે આવી પડેલા પ્રતિકૂળ સંજોગોમાં સમતાપૂર્વક તપ કરી આત્મજાગૃતિ વધારવાનો પુરુષાર્થ માંડીએ એવી હૃદયપૂર્વક અભ્યર્થના.

~ જય સચ્ચિદાનંદ.

અનુકૂળતા-પ્રતિકૂળતામાં સમાનતા

(પા.૪)

સંસારમાં આસક્તિથી લાગે પ્રતિકૂળતા

પ્રશ્નકર્તા : અંતરની ઈચ્છા હોય છતાં આત્મવિકાસના કાર્યમાં પ્રતિકૂળતા કેમ વધારે જણાય છે ?

દાદાશ્રી : આત્મવિકાસના કાર્યમાં પ્રતિકૂળતા કોઈ દહાડો હોતી જ નથી. ફક્ત એની અંતરની ઈચ્છા જ હોતી નથી. જો અંતરની ઈચ્છા હોય ને, તો આત્મવિકાસનાં કાર્યમાં પ્રતિકૂળતા હોતી નથી. આ તો ‘એને’ આ દુનિયા ઉપર વધારે ભાવ છે ને આસક્તિ છે. એટલે આમાં પ્રતિકૂળતા લાગે છે. બાકી આત્મા પ્રાપ્ત કરવો એ તો સહજ છે, સરળ છે, સુગમ છે. આત્માને પોતાને ગામ જવાને માટે વાર જ શી લાગે ?

મેં ખેડૂતને પૂછેલું, કે ‘આ બળદને અહીંથી ખેતરમાં લઈ જતી વખતે બળદનો શું સ્વભાવ હોય છે ?’ ત્યારે કહે, ‘અમે ખેતરમાં લઈ જઈએ, તે ઘડીએ એ ધીમે ધીમે ચાલે.’ ‘અને પાછું ઘેર આવતી વખતે ?’ ત્યારે કહે, ‘ઘેર ? એ તો સમજી જાય કે ઘરે જ જઈએ છીએ એટલે ઝપાટાબંધ ચાલે !’ એવી રીતે મોક્ષે જવાનું છે, એવું જાણ્યું ત્યારથી આત્મા ઝપાટાબંધ ચાલે. પોતાને ઘેર જવાનો છે ને ! અને બીજે બધે તો ધીમે ધીમે પરાણે ચાલે.

સાચી સમજણથી છુટકારો

પ્રશ્નકર્તા : આ બધું બરાબર છે, પણ અત્યારે સંસારમાં જોઈએ તો દસમાંથી નવ જણાને દુઃખ છે.

દાદાશ્રી : દસમાંથી નવ નહીં, હજારમાં બે જણ સુખી હશે, કંઈક શાંતિમાં હશે. બાકી બધા રાતદહાડો બળ્યા જ કરે છે.

આ શક્કરિયું ભરહાડમાં મૂકે તો કેટલી બાજુથી બફાય ? ચોગરદમથી, તેમ આ આખું જગત બફાઈ રહ્યું છે. અરે ! પેટ્રોલની અગ્નિથી બળતું અમને અમારા જ્ઞાનમાં દેખાય છે.

ભાંજગડ ચાલ્યા જ કરે, એનું નામ સંસાર. સંસાર એટલે રાગ-દ્વેષવાળો કકળાટ. ઘડીમાં રાગ અને ઘડીમાં દ્વેષ. અમે આ સંસારની બહુ સૂક્ષ્મ શોધખોળ કરેલી. છેલ્લા પ્રકારની શોધખોળ કરીને અમે આ બધી વાતો કરીએ છીએ. વ્યવહારમાં કેમ કરીને રહેવું તેય આપીએ છીએ અને મોક્ષમાં કેવી રીતે જવાય તેય આપીએ છીએ. તમને અડચણો કેમ કરીને ઓછી થાય એ અમારો હેતુ છે.

ભગવાન એટલું જ કહે છે કે વ્યવહારમાં કોઈને બાધારૂપ ના થઈ પડીએ, એટલો વ્યવહાર સાચવજો. કો’ક કહેશે, ઊભા રહો, તો આપણે શૂન્યવત્ રહીએ તો શું થાય ?

આ બીજી બધી વાતો સમજી લેવાની છે. આ ઈલેક્ટ્રિકના પોઈન્ટ બધા ગોઠવેલા હોય, તે એક-એક પોઈન્ટ આપણે સમજીએ તો પછી વાંધો ના આવે. નહીં તો પંખાને બદલે લાઈટ થાય ને લાઈટને બદલે પંખો થાય એવું થયા કરે.

‘જ્ઞાની પુરુષ’ જે સમજણ આપે, તે સમજણથી છુટકારો થાય. સમજણ વગર શું થાય ? વીતરાગ ધર્મ જ સર્વ દુઃખોથી મુક્તિ આપે. આ વ્યવહારની વાતો કોઈએ કહી નથી. વ્યવહાર સુધરે જ નહીં કોઈ દહાડો, આવી વાત સમજણ પડ્યા વગર. આ તો વ્યવહાર સુધરે તો તમે મુક્ત થશો, નહીં તો મુક્તેય શી રીતે થવાય તે ? અશાંતિ ના રહેવી જોઈએ, ચિંતા ના થવી જોઈએ. સંસારમાં સુખ તો હોય જ નહીં. પણ ભગવત્ ઉપાય લો તો કંઈક શાંતિ લાગે ને જ્ઞાન ઉપાયથી કાયમની શાંતિ રહે.

(પા.૫)

જીવનમાં પચાવો એક જ શબ્દ

પ્રશ્નકર્તા : મુખ્ય વસ્તુ એ કે ઘરમાં શાંતિ રહેવી જોઈએ.

દાદાશ્રી : શાંતિ કેવી રીતે રહે પણ ? શાંતિ તો છોડીનું (છોકરીનું) નામ પાડીએ તોય શાંતિ ના રહે. એના માટે તો ધર્મ સમજવો જોઈએ. ઘરમાં માણસો બધાંને કહેવું જોઈએ કે ‘ભઈ, આપણે બધાં ઘરના માણસો કોઈ કોઈના વેરવી નથી, કોઈ કોઈનો ઝઘડો નથી. આપણે મતભેદ કરવાની કંઈ જરૂર નથી. વહેંચી વહેંચીને શાંતિપૂર્વક ખઈ લો. આનંદ કરો, મઝા કરો. એવી રીતે આપણે વિચારીને બધું કરવું જોઈએ. ઘરના માણસો જોડે કકળાટ ક્યારેય ના કરવો જોઈએ. એ જ ઓરડીમાં પડી રહેવાનું ત્યાં કકળાટ શા કામનો ?

‘એડજસ્ટ એવરીવ્હેર’ આટલો જ શબ્દ જો તમે જીવનમાં ઉતારી નાખો, તો બહુ થઈ ગયું ! તમારે શાંતિ એની મેળે ઊભી થશે. પહેલું છે તે છ મહિના સુધી અડચણો આવશે, પછી એની મેળે જ શાંતિ થઈ જશે. પહેલાં છ મહિના પાછલાં રીએક્શન આવશે, શરૂઆત મોડી કરી તે બદલના. માટે ‘એડજસ્ટ એવરીવ્હેર.’ આ કળિયુગના આવા ભયંકર કાળમાં તો એડજસ્ટ નહીં થાવ ને, તો ખલાસ થઈ જશો.

હિસાબો તો ભોગવ્યે જ છૂટકો

પ્રશ્નકર્તા : હું વાઈફ જોડે બહુ એડજસ્ટ થવા જાઉં છું પણ થવાતું નથી.

દાદાશ્રી : બધું હિસાબસર છે. વાંકા આંટા ને વાંકી નટ, ત્યાં સીધી નટ ફેરવે તો શી રીતે ચાલે ? તમને એમ થાય કે આ સ્ત્રી જાતિ આવી કેમ ? પણ સ્ત્રી જાતિ તો તમારું ‘કાઉન્ટર વેઈટ’ છે. જેટલો આપણો વાંક એટલી એ વાંકી. એટલે તો અમે બધું ‘વ્યવસ્થિત’ છે, એવું કહ્યું છે ને !

પ્રશ્નકર્તા : બધા જ આપણને સીધા કરવા આવ્યા હોય એમ લાગે છે.

દાદાશ્રી : તે તમને સીધા કરવા જ જોઈએ. સીધા થયા સિવાય દુનિયા ચાલે નહીં ને ! સીધો થાય નહીં તો બાપ શી રીતે થાય ? સીધો થાય તો બાપ થાય. સ્ત્રી જાતિ જાણે એવી છે કે એ ના ફરે, એટલે આપણે ફરવું પડશે. એ સહજ જાતિ છે, એ ફરે એવી નથી.

પ્રશ્નકર્તા : દાદા, હું સત્સંગમાં આવું છું તે ઘરવાળાને ગમતું નથી. બાકી આપણે એમની સાથે કોઈ દહાડો અવળો વ્યવહાર કરતાં નથી, છતાંય ખુશ કેમ થતા નથી ?

દાદાશ્રી : તારે હિસાબ ભોગવવાનો છે, ત્યાં સુધી તેઓ ખુશ કેમ કરીને થાય ?

પ્રશ્નકર્તા : ખુશ ના થાય તોય વાંધો નહીં, પણ નોર્મલ રહે ને તોય આપણને ગમે.

દાદાશ્રી : નોર્મલ રહે જ નહીં. નોર્મલ ના હોય તોય આપણે ‘ખુશ જ છે’ એમ માનવું. એમને આપણે નથી ગમતા. આપણા આચાર-વિચાર છે એ એમને ગમતા નથી એવું જાણીએ છતાંય આપણે એમની જોડે બેસીને ખાવું પડે, રહેવું પડે, ઊંઘવું પડે, હા કહેવી પડે. શું થાય, છૂટકો જ નહીં ને ! એ કર્મ ભોગવ્યે જ છૂટકો. જે કાળે, જે ક્ષેત્રે, જે દ્રવ્ય-ભાવ, બધુંય સાથે થઈને જે ભોગવવું, એમાં ચાલે જ નહીં.

‘ના ગમતા’માં થાય પ્રગતિ

પ્રશ્નકર્તા : પરસ્પર વિરોધી પરમાણુઓ હોય તે પતિ-પત્ની તરીકે આવે કે ?

દાદાશ્રી : ના, એય આવે અને એ તો બધા જાતજાતના આવે. દરેકને એ એક જ જાતનું ના હોય, જાતજાતનું હોય.

(પા.૬)

પ્રશ્નકર્તા : અનુકૂળ હોય એ પણ આવે ?

દાદાશ્રી : અનુકૂળ તે એટલું બધું અનુકૂળ કે પોતે પ્રતિકૂળ હોય પણ પેલી બઈ અનુકૂળ રહેતી હોય. પોતે વાંકો હોય પણ બઈ કાયમ સીધી રહેતી હોય, એવી સરસ એ બઈ હોય. ઘણી જગ્યાએ ભઈ બિલકુલ સીધો હોય, બઈ વાંકી હોય કાયમની. બધી જ જાતનો માલ છે અહીંયા આગળ. અહીં કોઈ જાતનુંય નથી એવું નથી, દરેક પ્રકારનો માલ છે.

પ્રશ્નકર્તા : આ પરસ્પર વિરોધી પરમાણુવાળા ભેગા થાય એ શા માટે ?

દાદાશ્રી : જાગૃત કરવા માટે, નહિતર તો ઊંઘી જાય, બેઉ જણ ઊંઘી જાય. છ-છ મહિના સુધી ઊંઘે. સૂર્યનારાયણેય જોવા બહાર ના આવે. નહીં તો તો બધા પડી રહે એવા છે. આ તો બરોબર વિરોધી છે ને, તેથી તો મજા છે એની, નહીં તો મોક્ષે જ કોઈ જાય નહીં ને !

પ્રશ્નકર્તા : કેટલીક વખતે આવી પ્રતિકૂળ પત્ની હોય, તે વેરભાવે વૈકુંઠ જેવું થાય. આ ઘણાખરામાં આવું થયેલું.

દાદાશ્રી : આ સંસારની હરેક ચીજ પોતાની ગમતી આવે ને, તો માણસ પ્રગતિ ના કરી શકે. એની આધ્યાત્મિક પ્રગતિ અટકી જાય. એટલે એક-બે ખૂણા એવા હોવા જોઈએ, કે એને જાગૃતિ કરાવે.

સમભાવે નિકાલથી શમે વાવાઝોડા

પ્રશ્નકર્તા : દાદા, હમણાં તો વાવાઝોડા જેવું આવ્યું છે.

દાદાશ્રી : વાવાઝોડા આવે. પછી વાવાઝોડું જતું રહે એ પછી સેફસાઈડ. એટલે બધાંને આવે વાવાઝોડું. આ તો વચ્ચે જરા પેલું વાવાઝોડું આવે તો બારણા બંધ કરીને બેસી રહેવું. પણ બે કલાક પછી વાવાઝોડું બંધ થાય એટલે પછી બારણા ઊઘાડીએ, એવી રીતે આપણે ત્યાં વાવાઝોડું આવે તો એક દહાડા-બે દહાડા તો આપણે બારણા બંધ કરીને મહીં હોમ ડિપાર્ટમેન્ટ(આત્મસ્વરૂપ)માં બેસી રહેવું. અને બહાર ચંચળતા થયા કરશે એ જોયા કરવી. એવું ના બને ?

પ્રશ્નકર્તા : એટલે આપણે ધીરજ રાખવાની, સમતા રાખવાની ?

દાદાશ્રી : બસ, બીજું શું ? આપણે છે તે જોયા કરવાનું ને સમભાવે નિકાલ કરવાનો અને એ ફાઈલ કહેવાય, વાવાઝોડું આવ્યું તે. સમભાવે નિકાલ કરવાનો એટલે જતું રહે પછી. અને જેટલા છે હિસાબમાં તેટલા જ આવશે, બીજા નહીં આવે. આ ઓછું ગપ્પું છે અહીં આગળ ? આ તો વૈજ્ઞાનિક છે.

સાચી સમજ સમભાવે નિકાલની

પ્રશ્નકર્તા : એ સમભાવે નિકાલ નથી થતો.

દાદાશ્રી : નથી થતો ? તો શું થઈ જાય છે ?

પ્રશ્નકર્તા : હવે મારે એવું છે, ફાઈલ નં. ૨ મારાથી એકદમ વિરુદ્ધ છે. તેથી તેની સાથે મારે સંઘર્ષ થાય છે અને સમભાવે નિકાલ નથી થઈ શકતો.

દાદાશ્રી : પણ આપણે છે તે ચંદુભાઈને કહેવાનું કે ‘સમભાવે નિકાલ કરો ને !’ પણ બહુ ચીકણું હશે, નિકાચિત હશે તો વાર લાગશે.

પ્રશ્નકર્તા : બીજા સાથે હોય તો સહજ થઈ જાય છે પણ અહીં નથી થતો.

દાદાશ્રી : સાચવી સાચવીને કરો ને હવે. આ જેમ પટ્ટી ઊખાડીએ છીએ ને, અને તે લહાય ના બળે એવી રીતે ધીમે રહીને.

(પા.૭)

પ્રશ્નકર્તા : અમારે તો ફાઈલ જોડે વૈચારિક મતભેદો વધતા જાય છે.

દાદાશ્રી : પણ શાને માટે મતભેદો વધતા જાય ? આપણે સમભાવે નિકાલ કરવાની આજ્ઞા પાળવી જોઈએ ને ?

પ્રશ્નકર્તા : પણ સમભાવે નિકાલ કરવાની આજ્ઞા પાળવા છતાંય આ જ પરિસ્થિતિ રહ્યા કરે.

દાદાશ્રી : ના, એવું કશું નથી. સમભાવે નિકાલ, એ આજ્ઞા પાળે તો કોઈ ઊભું રહેતું નથી. એ વાક્યમાં એટલું બધું વચનબળ છે કે ન પૂછો વાત !

પ્રશ્નકર્તા : પણ સમભાવે નિકાલ કરવામાં એકપક્ષી જ વિચારણા થઈને ?

દાદાશ્રી : એ એકપક્ષી બોલવાનું નહીં, આપણે તો સમભાવે નિકાલ કરવો છે એટલું નક્કી કરવાનું. એટલે એની મેળે થયા જ કરે. ન થાય તોય ડુંગળીનું એક પડ તો ઊતરી જ જશે. પછી ડુંગળીનું બીજું પડ દેખાય. પણ બીજે વખતે બીજું પડ ઊતરશે, એમ કરતાં કરતાં ડુંગળી ખલાસ થશે. આ તો વિજ્ઞાન છે ! આમાં તરત જ ફળવાળું છે, એક્ઝેક્ટનેસ છે. આ ચંદુભાઈ શું કરે એ તમારે જોયા કરવાનું. સામી વ્યક્તિમાં શુદ્ધાત્મા જોવાના અને ફાઈલ તરીકે સમભાવે નિકાલ કરવાનો !

પ્રશ્નકર્તા : હા, પણ સમભાવે નિકાલ કરવામાં આપણને વ્યવહારિક મુશ્કેલી પડતી હોય તો...

દાદાશ્રી : વ્યવહારિક મુશ્કેલી તો આવે ને જાય. અૅબ એન્ડ ટાઈડ, પાણી વધે ને ઘટે. એ તો રોજ દરિયામાં બેઉ વખત વધ-ઘટ થયા જ કરે.

પ્રશ્નકર્તા : અમારા મતભેદ એ કક્ષાના છે કે ભેગા રહી જ ન શકાય.

દાદાશ્રી : તોય સમભાવે નિકાલ કરીને લોકો એટલા સરસ રીતે રહી શક્યા છે ને ! અને છૂટું થઈનેય શું ફાયદો કાઢવાનો ?

પ્રશ્નકર્તા : એની સમજવાની તૈયારી જ ના હોય, દરેક સગાવહાલાં સાથે ફાવતું જ ના હોય અને વ્યવહાર જ ના રાખવો હોય એ રીતે ફાવતું હોય, તો શું કરવું ?

દાદાશ્રી : રીત રાખવાની નહીં, કઈ રીતે રહેવાય છે એ જોવાનું. ડિઝાઈનનો રસ્તો ન્હોય આ. આ જ્ઞાન ડિઝાઈનવાળું ન્હોય. કઈ રીતે રહેવાય છે એ જોવાનું.

પ્રશ્નકર્તા : એ રીત વ્યવહારિક રીતે યોગ્ય હોય કે અયોગ્ય હોય ?

દાદાશ્રી : એ તમારે જોવાનું નથી. તમારે તો આ રીતે રહેવાનું. શાંતિ જોઈતી હોય, આનંદ જોઈતો હોય, તો આ રીતે રહો. અને નહીં તો આપણે પેલી રીતમાં ઊતરો. ડિઝાઈન કરો તો માર ખાશો. બીજું કશું નવું મળી જવાનું નથી. અજ્ઞાનતાની નિશાની માર ખાય, બીજું કંઈ નહીં ! આને ઓવરવાઈઝ (દોઢ ડહાપણ) કહેવાય છે ! ઉપરથી દોઢ ડહાપણ પોતાનું કરવા જાય છે ! તત્ત્વદ્રષ્ટિ મળ્યા પછી શા માટે બીજું જોવું ? ના મળી હોય તો બીજું હતું જ ને !

પ્રશ્નકર્તા : પણ પછી આને કર્મબંધ માનીને સહન કર્યા કરવું, આ પરિસ્થિતિને ?

દાદાશ્રી : કશું માનવાનું જ નહીં. માનવાનું આપણે શાનું ? આપણે જ્ઞાતા-દ્રષ્ટા, જોવાનું જ. શું બને છે એ જોવાનું. વોટ હેપન્સ !

એક જ અવતાર જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલી જાય તો લહેર થઈ જાય. અને તે પોતાને સુખ સહિત હોય છે !

(પા.૮)

ડિસ્એડજસ્ટમેન્ટ, ત્યાં જ સમભાવ કેળવવો

પ્રશ્નકર્તા : કોઈ પણ સંજોગોમાં સમભાવે નિકાલ જ કરવાનો ?

દાદાશ્રી : સમભાવે નિકાલ કરવો એટલો જ આપણો ધર્મ. કોઈ ફાઈલ એવી આવી ગઈ તો આપણે નક્કી કરવું કે સમભાવે નિકાલ કરવો છે. બીજી ફાઈલ તો એડજસ્ટમેન્ટવાળી હોય, તેને તો બહુ જરૂર નથી.

પ્રશ્નકર્તા : પણ જ્યાં ટોટલ ડિસ્એડજસ્ટમેન્ટ હોય ત્યારે શું કરવું પછી ?

દાદાશ્રી : સમભાવે નિકાલ કરવાનો ભાવ આપણે મનમાં નક્કી કરવાનો ! ‘સમભાવે નિકાલ કરવો છે’ એટલો જ શબ્દ વાપરવાનો !

પ્રશ્નકર્તા : સામો કોઈ એડજસ્ટમેન્ટ ના લે તો શું કરવું ?

દાદાશ્રી : એ ન લે તો આપણે જોવાનું નહીં.

પ્રશ્નકર્તા : પણ આપણે પછી શું કરવું ? આપણે છૂટું થઈ જવું ?

દાદાશ્રી : આપણે જોયા કરવાનું. બીજું તો એના કે આપણા તાબામાં નથી કંઈ ! માટે જે થાય એ આપણે જુઓ. છૂટા થઈ જાય તોય વાંધો નથી. આપણું જ્ઞાન એવું નથી કહેતું કે તમે છૂટા ના થશો અને છૂટા થાવ એમેય નથી કહેતું. શું થાય છે એ જોયા કરવાનું. છૂટા થઈ જાવ તોય કોઈ વાંધો નહીં ઊઠાવે કે તમે કેમ છૂટા થઈ ગયા ને ભેગા રહો છો તોય કોઈ વાંધો નથી ઊઠાવતા ! પણ આ ડિસ્એડજસ્ટમેન્ટ એ ખોટી વસ્તુ છે !

તૈયારી હોય તો, કરવા ખુલાસા

પ્રશ્નકર્તા : તો હવે જ્ઞાનના એડજસ્ટમેન્ટના જે પ્રયત્નો હોવા છતાં એ સમાધાન નહોતું પામતું અને વ્યવહારિક ખુલાસાથી તરત સમાધાન પામી ગયું. તો ત્યાં પૂછવાનું એ જ હતું કે બેઉની જે ટસર ચઢે છે, ત્યાં સમાધાન માટે વ્યવહારિક ખુલાસાની જરૂર ખરી, જો સમાધાન થતું હોય તો ?

દાદાશ્રી : હા, એવું વ્યવહારિક ખુલાસાથી સમાધાન થતું હોય તો એના જેવું એકુંય નહીં ને ! પણ થતું હોય એટલે શું, કે દસ વખત ‘માબાપ’ કહે તો આપણે કહીએ, ‘‘ભાઈ, વીસ વખત ‘માબાપ’ ચાલ !’’ સામાને સમાધાન કરવા માટે આપણે એ કરવું જ જોઈએ. એટલે જો એ સમાધાન કરવા આવે તો તો આપણે એને વધારે ખુશ કરીએ. પણ એ સમાધાન કરે જ નહીં ને ઊલટો તને વઢે, કે ‘શુંય મારે વઢવાડ થઈ, તે અમથો સમાધાન સમાધાન કરે છે ! ગાંડો થઈ ગયો છે કે શું ? દાદાએ ગાંડું શીખવાડ્યું છે ?’ કહેશે.

એટલે સમાધાન તો ક્યારે કરાય કે એ એમની તૈયારી હોય. તે એમના મનમાં એમ હોય કે ‘કંઈક સારું બોલે તો આનો નિવેડો આવી જાય.’ તે ઘડીએ આપણે બોલવું અને ત્યાં સારું બોલવાથી નિવેડો આવી જાય. બધું ગૂંચવાયેલું હોય ને, ત્યાં આપણે સારું સારું બોલીએ, મીઠું મીઠું બોલીએ તો નિવેડો આવી જાય. તે પેલું ધ્યાનમાં રાખવાનું કે શાનાથી આંટી પડી હતી ને કહેવું કે આ બાજુની મગજની જરા બીમારી છે. કોઈક ફેરો અવળું બોલી જવાય છે, કહીએ. એટલે પછી એ દોષ માટે ભાંજગડ નહીં કરે.

સમભાવે નિકાલ થતા રાગે પડે

પ્રશ્નકર્તા : સ્વભાવ જ વિરોધી હોય તો એ ચેન્જ કેવી રીતે થઈ શકે પછી ?

દાદાશ્રી : જગતનું નામ જ વિરોધી સ્વભાવ ! જગતનો અર્થ જ વિરોધી સ્વભાવ. અને એ વિરોધીનો નિકાલ નહીં કરીએ તો વિરોધ રોજ જ

(પા.૯)

આવશે ને આવતે ભવેય આવશે ! એના કરતાં અહીં જ હિસાબ ચૂકવી દો, તે શું ખોટું ? આત્મા પ્રાપ્ત થયા પછી હિસાબ ચૂકવી દેવાય.

‘આજ્ઞા પાળવી છે’ એટલું બોલવું, બસ. બીજા એડજસ્ટમેન્ટ તો કોના હાથમાં છે ? વ્યવસ્થિતના હાથમાં છે !

તમે ‘સમભાવે નિકાલ કરવાનું’ નક્કી કરશો તો તમારું બધું રાગે પડશે. એ શબ્દમાં જાદુ છે. તે એની મેળે બધો નિવેડો લાવી આપશે.

પ્રશ્નકર્તા : સમભાવે નિકાલ કરવો એટલે સામી વ્યક્તિ જે કંઈ કહે એ ‘હા’ એ ‘હા’ કરવું ?

દાદાશ્રી : એ કહે કે અહીં બેસો તો બેસીએ. એ કહે કે બહાર જતાં રહો, તો બહાર જતાં રહીએ. એ વ્યક્તિ કંઈ નથી કરતી, આ તો વ્યવસ્થિત કરે છે. એ તો બિચારી નિમિત્ત છે ! બાકી ‘હા’ એ ‘હા’ કરવાની નહીં, પણ ચંદુભાઈ શું, ‘હા’ કહે છે કે ‘ના’ કહે છે, એ ‘આપણે’ જોવું ! પાછું ‘હા’ એ ‘હા’ કરવી એવું કંઈ તમારા હાથમાં સત્તા નથી. વ્યવસ્થિત તમને શું કરાવડાવે છે એ જોવું. આ તો સહેલી બાબત છે, એને લોકો ગૂંચવે છે.

પ્રશ્નકર્તા : પછી એ તો એમને એમની રીતે રહેવું હોય.

દાદાશ્રી : તમે કલ્પનાઓ શા માટે કરો છો કે એ આવું કરશે ?

પ્રશ્નકર્તા : એ કરી જ રહ્યા છે, એને અનુભવી જ રહ્યા છીએ.

દાદાશ્રી : નહીં. અનુભવ થાય છે, તોય તમારે કલ્પના નહીં કરવાની. આ કલ્પનાથી જ બધું ઊભું થયું છે, ગાંડું ! બિલકુલ સીધું છે અને સમભાવે નિકાલ કરવાની અમારી આજ્ઞા પાળે ને, તો એક વાળ જેટલી મુશ્કેલી નથી આવતી અને તે બધાં સાપની વચ્ચે હઉ ! અને આ તો એ સાપણ ન્હોય, એ તો સ્ત્રી છે ને ! અને કશું નથી, આ તો તમે જ આ બધું ચીકણું કર્યું છે !

ટેન્ડર ભર્યા નિજ ડિઝાઈનમાં

ધી વર્લ્ડ ઈઝ યોર ઑન પ્રોજેક્શન (જગત તમારી જ યોજના છે). કોઈની ડખલ ન મળે મહીં. સહેજ પણ ડખલ નહીં. તમારું પ્રોજેક્શન ને તમારું જ પ્લાનિંગ.

પ્રશ્નકર્તા : મને એ ખબર નથી પડતી, કે આ મેં પ્લાનિંગ ક્યારે કર્યું ને આમ કેમ કર્યું ?

દાદાશ્રી : પ્લાનિંગ કરતી વખતે ખાલી નકશા જ ચિતરવાના હોય છે. નકશા ચિતરેલા હોય અને અહીં યોજના જુએ તો ગભરામણ થાય. કેમ આવ્યું ? ક્યારે કર્યું’તું ? પોતે નકશા ચિતર્યા’તા, હા. તોય કહેશે, ‘આવું તો કર્યું જ નહોતું મેં !’ આ પરિણામ આવ્યું. આ પરિણામ જુએ. પરિણામ દેખીને ગભરાય, કે આ પરિણામ કોનું ? આ તારી યોજનાનું જ પરિણામ છે.

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે તમારી ડિઝાઈન પ્રમાણે આ બધું તમને મળ્યું છે. તો એ ડિઝાઈન શું છે એ જરા સમજાવો.

દાદાશ્રી : ડિઝાઈન એટલે તમારા બુદ્ધિના જે આશય હોય ને, કે મારે આવું જોઈએ, આવું જોઈએ, આ ના જોઈએ મારે. એ જે જોઈએ છે ને, એ બધું ટેન્ડર લાવ્યા છો. એમાં તમારું પુણ્ય બધું ખર્ચાઈ જાય.

એક ભઈ હતા ને, એમણે મને પૂછ્યું, ‘દાદાજી, તમે એવું શું લાવ્યા કે આ બધું જ તમને તમારી ઈચ્છા પ્રમાણે બધું અનુકૂળ રહે છે ? તમે સત્સંગ કરી શકો છો, ઈચ્છા પ્રમાણે ધર્મ કરી શકો

(પા.૧૦)

છો, ઈચ્છા પ્રમાણે બધું કરો છો.’ ત્યાર પછી મેં એને સમજ પાડી કે બીજાએ શું ભૂલ કરી છે ! મેં કહ્યું, ‘જો, તેં ટેન્ડર ભરતી વખતે મારે વાઈફ આવી જોઈશે, બે છોકરાં જોઈશે, છોડી જોઈશે, બંગલો જોઈશે, ગાડી જોઈશે, બધું લખાવ્યું અને પછી દસ-પંદર ટકા બાકી રહ્યા. તે તેં કહ્યું કે ધર્મ ખાતે લખી નાખો. અને મેં તો પાંચ ટકા આમાં રહેવા દીધા અને પંચાણું ટકા આ ધર્મમાં નાખ્યા !

બાળક જે ભોગવી રહ્યો છે, એ પોતાના ટેન્ડર પ્રમાણે, પોતાની ડિઝાઈન પ્રમાણે જ ભોગવી રહ્યો છે. ડિઝાઈનમાં સહેજ ફેર નથી અને અત્યારે દુઃખી થઈ રહ્યો છે. પોતાની જ ડિઝાઈન છે આ. કોઈ ઈશ્વર આમાં હાથ ઘાલતો જ નથી. ઈશ્વર તો તમારું સ્વરૂપ છે. એ તમારો ઉપરી નથી. આ તમે જે મકાનમાં અત્યારે હો ને તે મકાન, તમારી જે સ્ત્રી છે, જે છોકરાં છે, એ બધું તમારી ડિઝાઈન પ્રમાણે જ છે. આ શરીરનું જે રંગ-રૂપ, બધા હિસાબ, ઊંચાઈ-બુંચાઈ બધું તમારી ડિઝાઈન જ છે. એણે માગણી કરી’તી કે ‘મારે વહુ તો જોઈશે જ.’ એ કેવા સ્વભાવની ? ત્યારે કહે, ‘આવો સ્વભાવ. આવો તેવો મળતો હોય.’ રંગ કેવો ? ત્યારે આ કહે છે, ‘અરધો કાળો, અરધો ધોળો.’ આ બધું નક્કી કર્યું’તું, એ પ્રમાણે જ આ વહુ મળે.

પોતે આપેલી પરીક્ષાના પરિણામ

પ્રશ્નકર્તા : સંજોગો અનુકૂળ અને પ્રતિકૂળ કેમ હોય છે ?

દાદાશ્રી : એ સંજોગો અનુકૂળ-પ્રતિકૂળ તમારા પરિણામ છે. તમે કેટલાય જણને હેલ્પ કરી હોય, તો કુદરત એના ફળરૂપે તમારા સંજોગો અનુકૂળ કરી આપે.

પ્રશ્નકર્તા : આ જન્મમાં કે ગયા જન્મમાં ?

દાદાશ્રી : ના, ગયા જન્મનું, આ જન્મનું તો હજુ આવે ત્યારે પરિણામ. એટલે આ પેલી પરીક્ષા આપવામાં અને રિઝલ્ટમાં કંઈક મહિનો-બે મહિનાનો એ હોય છે ગાળો, કેટલો હોય છે ?

પ્રશ્નકર્તા : હા, ગાળો હોય છે.

દાદાશ્રી : આ આનો ગાળો સો વર્ષનો હોય છે. એટલે આને આ ગાળામાં એ પરીક્ષા અને આ રિઝલ્ટ, બેમાં ગાળો રહે છે.

આ રિઝલ્ટ છે. રિઝલ્ટમાં કોઈનો દોષ કાઢે, તો એ પ્રોફેસર જ ન્હોય. એ પરીક્ષા આપતી વખતે દોષ એનો જોવાનો છે કે (તારે) પરીક્ષા આપતી વખતે જાગૃતિ રાખવાની છે ! રિઝલ્ટમાં તારો દોષ નથી. એવી બધી સામગ્રી, એવા અનુકૂળ સંજોગો લઈને આવેલા હોય. પૂર્વભવે ભાવના ભાવેલી હોય તો તે અનુકૂળ ઉત્પન્ન થઈ જાય.

પ્રશ્નકર્તા : અનુકૂળ નિમિત્ત ક્યારે પેદા થાય ?

દાદાશ્રી : અનુકૂળ તો, આપણે ડખળામણ ના હોય ને કોઈ જાતની, આપણે એક જ ભાવ હોય, કે મારે સીધેસીધું સર્વ દુઃખોથી મુક્ત થવું છે. એવો જેનો ભાવ છે તે બીજા વાંધાવચકા ના પાડે. વાંધાવચકા એટલે શું ? પોતાનો અહંકાર મજબૂત કરવા માટે, પોતાના અહંકારનો દેખાવ કરવા માટે, પોતાની કીર્તિ માટે, જશ માટે, બીજી લાલચો માટે, એમ બધે પડે, તો મૂળ વસ્તુ ના પામી શકે. મૂળ વસ્તુ તો એક જ ધ્યેય (હોવો) જોઈએ કે કીર્તિ થાવ કે અપકીર્તિ થાવ, જે થાવ એ થાવ, પણ મારી મૂળ વસ્તુ મળવી જોઈએ. તો પછી તેને મૂળ વસ્તુ પ્રાપ્ત થાય છે. બાકી કીર્તિના હજુ ચાખણા (અથાણાં) ચાખવા હોય તેને વસ્તુ બધી રખડી મરે.

(પા.૧૧)

ત્યાં સુધી અનુકૂળ-પ્રતિકૂળનો ડખો

પ્રશ્નકર્તા : દરેકને અનુકૂળ સંયોગો જ જોઈએ, એવું કેમ ?

દાદાશ્રી : અનુકૂળ એટલે સુખ, જેમાં શાતા થાય એ અનુકૂળ. અશાતા થાય એ પ્રતિકૂળ. આત્માનો સ્વભાવ આનંદવાળો છે, એટલે એને પ્રતિકૂળતા જોઈએ જ નહીં ને ! એટલે નાનામાં નાનો જીવ હોય, તેય અનુકૂળ ના આવે તો ખસી જાય !

એટલે છેલ્લી વાત એ સમજી લેવાની છે કે પ્રતિકૂળ અને અનુકૂળ એક કરી નાખો. વસ્તુમાં કશો માલ નથી. આ રૂપિયાના સિક્કામાં આગળ રાણી હોય ને પાછળ લખેલું હોય એના જેવું છે. એવી રીતે આમાં કશું જ નથી. અનુકૂળ ને પ્રતિકૂળ બધી કલ્પનાઓ જ છે.

તમે શુદ્ધાત્મા થયા, એટલે પછી અનુકૂળેય ના હોય ને પ્રતિકૂળેય ના હોય. આ તો જ્યાં સુધી આરોપિત ભાવ છે ત્યાં સુધી સંસાર છે ને ત્યાં સુધી જ અનુકૂળ ને પ્રતિકૂળનો ડખો છે. હવે તો જગતને જે પ્રતિકૂળ લાગે, તે આપણને અનુકૂળ લાગે.

અનુકૂળ સંયોગો ફૂડ, પ્રતિકૂળ એ વિટામીન

પ્રશ્નકર્તા : પ્રતિકૂળ સંયોગોમાં સ્થિરતા રાખવી બહુ કઠણ પડે છે.

દાદાશ્રી : ના, એ કઠણ પડે નહીં. પોતાનું ડહાપણ ના વાપરે અને અમારો શબ્દ જો ફળીભૂત થવા દે તો એ શબ્દ જ કામ કરે એવો છે. પોતાનું ડહાપણ ના વાપરે તો... કે ‘આમ થઈ જશે તો, આમ થઈ જશે તો !’ અરે ! કશુંય નથી થવાનું, માલિક જ આપણે છીએ. વર્લ્ડના ઑનર જ આપણે છીએ. કોઈ બાપોયે નામ દેનાર નથી. કોણ છે ? ઉપરી જ આપણે છીએ ને !

જો કદી સારા સંજોગો બેઠા તો છે તે દેહનું વિટામિન અને અવળા બેઠા તો આત્માનું વિટામિન. બન્નેય વિટામિન જ છે હવે. અનુકૂળ બધી વસ્તુ મળે તો દેહનું વિટામિન, શરીર સારું રહેશે. પ્રતિકૂળ મળે તો આત્માનું વિટામિન. એટલે જે અનુકૂળ-પ્રતિકૂળ બે સિવાય ત્રીજી વસ્તુ મળતી નથી. તે બન્નેય વિટામિન છે પછી આપણે ક્યાં ખોટ જવાની છે ? અને લોક વિટામિન લેવા જાય છે તો કશું વળતું નથી.

અનુકુળ સંયોગો એ ફૂડ છે અને પ્રતિકૂળ સંયોગો એ વિટામિન છે, આ જ્ઞાન મળ્યા પછી. માટે અમે કહીએ છીએ કે, વિટામિનને જ નકામું ઢોળાઈ જવા ના દેશો.

પ્રશ્નકર્તા : આ ના સમજાયું !

દાદાશ્રી : જ્ઞાન ના મળ્યું હોય એને તો પ્રતિકૂળતા બહુ ખોટું કહેવાય. અને જ્ઞાન મળ્યું હોય ને, તેને પ્રતિકૂળતા વિટામિન છે. અનુકૂળ એ ફૂડ છે. માટે ફૂડ તો મળ્યા જ કરે છે, પણ પ્રતિકૂળ (રૂપે) વિટામિન પડી ના જાય એ જોતા રહેજો.

પ્રતિકૂળતા વિટામિન છે એવું પકડી લીધું તો (આત્માનું) વિટામિન એને ઉત્પન્ન થઈ ગયું.

પ્રતિકૂળતાના વિટામીને પ્રગટે આત્મવીર્ય

પ્રશ્નકર્તા : દાદા, પ્રતિકૂળતામાં આત્માનું વિટામિન ક્યાંથી આવે ? માણસ આમ વ્યાકુળ રહેતો હોય તો એને ભગવાન ક્યાં યાદ આવે ?

દાદાશ્રી : પ્રતિકૂળતામાં ? એ આત્માનું વિટામિન છે પ્રતિકૂળતા તો. એ માણસને જાગૃત રાખે, અને તો જ આત્માનું કામ થાય. અને અનુકૂળતામાં તો ઊંઘી જાય, ધોળે દહાડે ઊંઘી જાય.

(પા.૧૨)

પ્રશ્નકર્તા : પ્રતિકૂળતામાં માણસ આકુળ-વ્યાકુળ હોય ને ?

દાદાશ્રી : આકુળ-વ્યાકુળ થાય એ તો જ્યાં સુધી એણે એડજસ્ટમેન્ટ ગોઠવ્યું નથી ત્યાં સુધી. આત્માનું એડજસ્ટમેન્ટ ગોઠવવામાં આવે તો આકુળ-વ્યાકુળ હોય જ નહીં. કારણ કે આત્માનું વિટામિન તો એ ત્યારે ઈચ્છા કરતો’તો કે મારે આત્માનું વિટામિન ક્યારે આવશે ? આત્મવીર્ય પ્રગટ ક્યારે થશે ?’ આત્મવીર્ય તો આત્મ વિટામિનથી ઊભું થાય. આખા જગતના દુઃખો વરસે તોય આત્મ વિટામિન આગળ ના નભે. આત્મવીર્ય તો બહુ જબરજસ્ત ચીજ છે.

(પ્રતિકૂળતા એટલે) વિરોધી. આપણા ફ્રેન્ડ આપણને મીઠાશ પાડે (આપે) ને નાસ્તા કરાવે તો ડોઝીંગ થાય ને પેલું વિટામિન સામા વઢવા આવે એટલે જાગૃત થઈએ.

‘સરપ્લસ’ની જ બધી ચિંતાઓ

પ્રશ્નકર્તા : પણ માણસ ચિંતિત હોય તો શી રીતે કરી શકે આત્માનું ?

દાદાશ્રી : વ્યાકુળ-ચિંતિત તો જ્યારે પૈસા બહુ આવે ને, તો જ વ્યાકુળ હોય. આ અમદાવાદના મિલવાળા શેઠિયા હોય ને, હું તમને એમની વિગત કહું ને, તો તમને એમ લાગે કે આ દશા ભગવાન એકુંય દિવસ આપશો નહીં. આખો દહાડો શક્કરિયું ભરહાડમાં મૂક્યું હોય એવું એ બફાયા કરતો હોય. ફક્ત જીવે છે શા આધારે ? મેં એક શેઠને પૂછયું, ‘શા આધારે તમે જીવો છો ?’ ત્યારે કહે, ‘એ તો મનેય ખબર પડતી નથી.’ ત્યારે મેં કહ્યું, ‘કહી આપું ?’ તમને આ બધા જુએ છે ને, તે પછી ‘બધાથી મોટો તો હું જ છું ને’, કહેશે. બસ, આનાથી જીવી રહ્યો છે. કશુંય સુખ ના મળે. શેઠાણીનેય દગો દે. વીસ હજાર જાત્રા માટે જોઈતા હોય ને, તે કહે, ‘હમણે બેંકમાં કશું છે જ નહીં.’ પાંચ-પાંચ વર્ષથી ઢસડાવે, એવા શેઠિયાઓ. તે પછી હું એમના સેક્રેટરીને મળ્યો. મેં કહ્યું, ‘શેઠ ક્યાં ગયા છે ?’ ત્યારે કહે, ‘સાહેબ, માતર કાઢી નાખજો.’ મેં કહ્યું, ‘ના બોલાય, મૂઆ.’ મૂઆ, તું રોટલા ખઉ છું ને તું આવું બોલું છું, કહ્યું. જ્યાં સુધી આપણે એમનું ખઈએ અનાજ, તેમનું આવું ના બોલીએ.

પ્રશ્નકર્તા : આપે જે વાત કરી, એને નથી જોઈતું અને આવતું હોય ઘણું, એના માટેની વાત થઈ. પણ રોજના બે ટાંટિયા મળતા ન હોય, એને તો રોજની ચિંતા હોય ને કે આનું આવતી કાલે શું કરશું ? આવતી કાલે શું ખાશું ? એવી એ લોકોને પ્રતિકૂળતા તો ખરી જ ને ? એને પ્રતિકૂળતા હોય તો પછી આ આત્માનું વિટામિન કેમ કહેવાય ?

દાદાશ્રી : ના, ના, એવું છે ને, સરપ્લસની જ ચિંતા હોય, ખાવાની ચિંતા કોઈનેય ના હોય. આ કુદરત એવી ગોઠવાયેલી છે કે સરપ્લસની જ ચિંતા ! બાકી, નાનામાં નાનો છોડવો ગમે ત્યાં ઊગ્યો હોય, ત્યાં જઈને વાદળ પાણી છાંટી આવે. એટલી બધી વ્યવસ્થા છે. આ રેગ્યુલેટર ઑફ ધી વર્લ્ડ છે તે એને રેગ્યુલેશનમાં જ રાખે છે નિરંતર. એવું આ ગપ્પુવાળું નથી. એટલે સરપ્લસની જ ચિંતા છે, એને ખાવાની ચિંતા નથી.

પ્રશ્નકર્તા : આપને બધા એવા સરપ્લસવાળા જ મળ્યા લાગે છે ! એટલે બીજા કોઈને ચિંતા ન હોય એવું લાગે છે. જેને ડેફિસિટ (ઓછું) હોય એવા નથી મળ્યા લાગતા.

દાદાશ્રી : ના, એવું નહીં. ડેફિસિટવાળાને બહુ મળેલો છું. પણ એમને બહુ ચિંતા ના હોય.

પાંચ લાખની જરૂર હોય અને પાંચ કરોડ

(પા.૧૩)

હાથમાં આવે, શી દશા થાય એની ? ડૉક્ટરને બોલાવવો પડે. મગજમાં એટલા બધા વિચાર આવે, એટલા બધા વિચાર આવે, એટલે પછી ગાંડો થઈ જાય. માટે આ બધું છે ને, જે પૈસા બધા આપ્યા છે તે પદ્ધતસર જ અપાયેલા છે. એથી વધારે જાય તો ગાંડા થઈ જાય. બધું પદ્ધતસર જ છે. કોઈ આપનાર-લેનાર નથી. તમારું જ પુણ્ય છે આ બધું. અને આ જે નથી પૈસા આવતા, એ સારામાં સારો કાળ ! એ પૈસા જ્યારે ના આવે ત્યારે જાણવું કે આ ઊંચામાં ઊંચો કાળ આવ્યો. જોખમ નહીં ને ! કોઈ ઈન્કમટેક્ષવાળાનું જોખમ નહીં, સેલટેક્ષવાળાનું જોખમ નહીં, કોઈ જાતનું જોખમ નહીં. અને એ જ્યારે પૈસા ના આવે ત્યારે એ આત્માનું વિટામિન હોય અને પૈસા આવે ત્યારે દેહનું વિટામિન. એ બન્ને વિટામિન જુદા છે. તમારે આત્માનું વિટામિન જોઈતું હોય તો પૈસા ના આવે ત્યારે આત્માનું વિટામિન. દેહનું વિટામિન જોઈતું હોય તો પૈસા આવે ત્યારે. જે વિટામિન જોઈતું હોય તે.

પ્રતિકૂળતાની મિત્રતા લાવે શાતા

પ્રશ્નકર્તા : પણ જેને અશાતા જ આવ્યા કરતી હોય, એ તો શાતા યોગને ખોળે ને ?

દાદાશ્રી : આત્માનો સ્વભાવ જ આનંદવાળો છે. એટલે એને અશાતા તો જોઈએ જ નહીં ને ! જીવમાત્રને અશાતા અનુકૂળ ના આવે. એટલે એ ત્યાંથી ખસી જાય !

બે શબ્દ છે; અનુકૂળ ને પ્રતિકૂળ. જેને પ્રતિકૂળ જોડે મિત્રતા થઈ તેને આ દુનિયા શાતામાં જ છે. પ્રતિકૂળ જોડે મિત્રતા થઈ એટલે કહે કે દુનિયા પછી ક્યારેય આઘીપાછી નહીં દેખાય તમને. જેવી છે (એવી દેખાશે,) એમ ને એમ જ, સુંદર ને સુંદર જ દેખાયા કરે. મિત્રતા ફક્ત પ્રતિકૂળ જોડે કરવાની છે. અને તે ખરેખર એક્ઝેક્ટ, ફેક્ટ વસ્તુ નથી આ કે ભઈ, આ એરકંડિશન જેવી ઠંડી હવાથી આપણી અંદર આ શાતા રહે છે. અને ગરમીથી અંદર અશાતા રહે છે, એવો કશો કુદરતનો નિયમ નથી. તમે જે બાજુની પ્રેક્ટિસ પાડો, તેનાથી તમને શાતા રહેશે.

પ્રશ્નકર્તા : બરોબર.

દાદાશ્રી : એટલે તમે પ્રતિકૂળને મિત્રતા સંબંધ ગણો તો અનુકૂળ થઈ જશે બધુંય. અને અનુકૂળને બિચારાને હેરાન કરવાનું હોય નહીં. અનુકૂળને હેરાન કરવો પડે કંઈ ?

પ્રશ્નકર્તા : નહીં, કોઈ હેરાન ના કરે.

દાદાશ્રી : આ તો એક પક્ષમાં પડ્યા તેથી આ બધી ઉપાધિ થઈ છે, અનુકૂળના પક્ષમાં પડ્યા એટલે. આ પ્રતિકૂળની ભાંજગડ ગઈ, એટલે આખું જગત તમારા કાબૂમાં આવી ગયું. હવે તમે તો બધા પુણ્યશાળી લોકો, હવે પ્રતિકૂળ આવી આવીને તમારે કેટલુંક આવવાનું ? એય પુણ્યશાળીને ભાગે આવે, બહુ પુણ્યશાળી હોય તેને. તમે તો એવા મોટા પુણ્યશાળી ના હો તો બહુ ના આવે તમારે. એટલે પ્રતિકૂળતા તમારે બહુ ના આવે. ક્યાંથી બહુ આવે ? એમને ભાગે ક્યાંથી હોય ? એટલે પ્રતિકૂળતાને તમારે અનુકૂળતા કરી નાખવાની.

પ્રતિકૂળતાથી થતું હિતકારી ઘડતર

ના ગમતું આવે તે આત્માનું હિતકારી જ હોય. એ આત્માનું જ વિટામિન છે. ભીંસ આવી કે તરત આત્મા માટે ને ? હમણે ગાળ ભાંડે ને, ત્યારે તે ઘડીએ એ સંસારમાં ના રહે. પોતાના આત્મામાં જ થઈ જાય એ. પણ એ જેણે આત્મા જાણ્યો છે તેને. અને ના જાણ્યો હોય તોય, એક

(પા.૧૪)

ડોસીમા છે તે એંસી વર્ષના હતા, તે બહાર નીકળીને કકળાટ કરતા’તા. ‘બળ્યો, આ સંસાર ખારો દવ જેવો, ખારો દવ જેવો.’ મેં કહ્યું, ‘માજી, એંસી વર્ષ સુધી આ મીઠો લાગ્યો ને હવે અત્યારે ખારો ક્યાંથી લાગ્યો ?’ તે આપણે પૂછીએ કે ‘માજી, શું થયું તે આ બધું ? ક્યાં ખારો છે ?’ ત્યારે કહે, ‘અરે, ખારો જ છે.’ શું થયું તે ? ત્યારે કહે, ‘છોકરાં આવડી આવડી ગાળો ભાંડે છે.’ ત્યારે એ છોકરાં ગાળો ભાંડે છે ત્યારે આ સંસારનું ભાન થયું માજીને, કે ‘આ સંસાર ખારો છે.’ નહીં તોય ખારો, છે જ ખારો. મીઠો લાગે છે તે પેલા મોહને લઈને. એટલે અવળું આવે ને, તો બહુ હિતકારી છે.

આ સંસાર આંખ્યે દેખ્યો રૂપાળો લાગે એવો છે. એ છૂટે શી રીતે ? માર ખાય ને વાગે તોય પાછું ભૂલી જવાય. આ લોકો કહે છે ને કે વૈરાગ્ય રહેતો નથી, તે શી રીતે રહે ?

પ્રતિકૂળ સંજોગો બહુ હિતકારી, આત્માનું વિટામિન છે. અનુકૂળ સંજોગો દેહનું વિટામિન છે. એનાથી દેહ સારો રહેશે, ડૉક્ટર પાસે નહીં જવું પડે.

આ સારો-સારો ખોરાક, રસ-રોટલી એ બધું દેહનું વિટામિન છે. તો આપણે દેહનું વિટામિન નાખી નહીં દેવું. પણ પેલું વિટામિન આવે તો નુકસાન શું છે ? એટલે બન્નેય વિટામિન થઈ પડ્યા આપણને. ના ગમતું આવ્યું તે આત્માનું વિટામિન અને ગમતું આવ્યું એ દેહનું વિટામિન. એટલે કશું હરકત જ ના રહી ને ! ચોપડા જ બે ક્લિયર થઈ ગયા ને !

અનુકૂળ ‘પૉલિશ’ કરે છે ને પ્રતિકૂળ ઘડતર કરે છે. માટે બેઉમાં આપણને શો વાંધો છે ? એટલે બધુંય હિતકારી થઈ પડ્યું આપણને.

પ્રતિકૂળતા એ આપણું થર્મોમિટર

પ્રતિકૂળતા આપણું થર્મોમિટર છે. કોઈ માણસ અવળો આવ્યો તો આપણું થર્મોમિટર છે. આપણો પારો ચઢ્યો કે ઊતર્યો ખબર પડી જાય. આપણે વેચાતું લેવા જઈએ તો થર્મોમિટર ના આવે. એટલે પ્રતિકૂળ આપણને મળે તો ઊલટો ઉપકાર માનવાનો કે ભઈ, તું મારું થર્મોમિટર, મફતમાં મળ્યો !

આપણે ઘેર આવ્યા ને આવતાંની સાથે જ કંઈક ઉપાધિ ઊભી થઈ ગઈ, તો આપણે જાણીએ કે આપણને હજુ ઊંચા-નીચા પરિણામ વર્તે છે. નહીં તો મહીં ઠંડક થઈ ગઈ છે, એવુંય ખબર પડે. તે પારાશીશી જોઈએ ને ? તે પારાશીશી વેચાતી બજારમાં મળે નહીં; આપણે ઘેર એકાદ હોય તો સારું. અત્યારે આ કળિયુગ છે, દુષમકાળ છે, એટલે ‘પારાશીશીઓ’ ઘરમાં બે-ચાર હોય જ, એક ના હોય ! નહીં તો આપણું માપ કોણ કાઢી આપે ? કો’કને ભાડે રાખીએ તોય ના કરે ! ભાડૂતી આપણું અપમાન કરે, પણ એનું મોઢું ચઢેલું ના હોય એટલે આપણે જાણીએ કે આ બનાવટી છે ! ને પેલું તો ‘એક્ઝેક્ટ’ ! મોઢું-બોઢું ચઢેલું, આંખો લાલ થઈ ગયેલી, તે પૈસા ખર્ચીને કરે તોય એવું ના થાય, ને આ તો મફતમાં આપણને મળે છે !

તમને હવે અપમાન ગમે છે ?

પ્રશ્નકર્તા : દાદા, કોઈ અપમાન કરે તો જાગૃતિ વધારે રહે.

દાદાશ્રી : તો પછી બાધા કેમ નથી રાખતા ? કોઈની આ બાધા રાખો તો લોકો વઢવાની શરૂઆત કરે. કોઈ કરનાર મળી આવતો નથી, નહીં ? એટલે એક બેન કહેતી’તી, ‘આખી રાત મહીં ગોદા મારતું હોય એવું કોઈક મારે છે. તેની વિધિ કરી આપો

(પા.૧૫)

ને !’ મેં કહ્યું, ‘ગોદા મારે તો બહુ સારું. તારી પુણ્યૈ જાગી, કે જાવ મોક્ષે. ગોદા મારનાર શું કહે છે ? મોક્ષે જાવ. એ ગોદા મારનાર હોય તે સારું ને ?

પ્રશ્નકર્તા : હાજી, બધી પ્રતિકૂળતાઓ ઉપકારી છે. પણ...

દાદાશ્રી : અને લોક કહે છે, પ્રતિકૂળ અમને ગમતું નથી, જે વધારે જાગૃતિ આપે તે અમને ગમતું નથી. ઊલટી પ્રતિકૂળતા તો વિટામિન થઈ પડે છે. એટલે પ્રતિકૂળ તો બહુ સારું પડે ઊલટું.

પ્રતિકૂળતામાં વધે જાગૃતિ

પ્રશ્નકર્તા : અનુકૂળમાં ટાઢું પડી જાય અને પ્રતિકૂળતામાં વધારે જાગૃતિ રહે એવું કેમ ?

દાદાશ્રી : અનુકૂળમાં તો એવું છે ને, એને મીઠું લાગે ને ! ઠંડો પવન આવતો હોય તો કલાક જતો રહે ને બહુ ગરમી હોય તો કલાક કાઢવો હોય તો કેટલો ભારે લાગે ! અને આ તો કલાક કાઢવો સહેજમાં નીકળી જાય. તેમ જમવાનું સારું હોય તોય ઝપાટાબંધ જમાઈ જાય અને ભૂખ લાગી હોય ને જમવાનું બધું એવું હોય તો પછી ના છૂટકે ખાવું પડે.

પ્રશ્નકર્તા : પણ જાગૃતિ પ્રતિકૂળતામાં કેમ વધારે રહે છે ?

દાદાશ્રી : પ્રતિકૂળતા એ આત્માનું વિટામીન છે અને અનુકૂળતા દેહનું વિટામીન છે. અનુકૂળ સંયોગોથી દેહ સારો થાય અને પ્રતિકૂળ સંજોગોમાં આત્મા સારો થાય. એ બધા સંયોગો ફાયદાકારક છે. સમજવું હોય તો બધા સંયોગો ફાયદાકારક છે.

પ્રશ્નકર્તા : હવે કોઈ એવું બધું કરીને લાવ્યો કે જેને પ્રતિકૂળતાઓ ના મળતી હોય, તો પછી આત્માનું વિટામિન લેવા જાય ક્યાં ?

દાદાશ્રી : ક્યાં જાય ? આત્માનું વિટામિન એને મળે જ નહીં પછી એ તો.

પ્રશ્નકર્તા : એ ગારવતામાં પડી જાય પછી ?

દાદાશ્રી : એ બધું છે તે એમાં જ જવાનું આપણે, ગારવતામાં. એમનો ભલીવાર ના આવે એમાં. પ્રતિકૂળતા તો હોય, પણ અમુક હલકા પ્રકારની હોય. પણ તે ગારવતામાં જતું રહે પછી. એના કરતા પ્રતિકૂળતા લઈને આવ્યો હોય તે સારું.

અનુકૂળતાના કષાયો અનંત અવતાર ભટકાવે

એટલે પ્રતિકૂળ તો આપણને જાગૃતિમાં લાવશે જ, પણ આ અનુકૂળ જાગૃતિમાં લાવે નહીં ને ! અનુકૂળ છે એ.

પ્રશ્નકર્તા : અનુકૂળથી છૂટા છીએ એવું અમને ખ્યાલ રાખવાનું મન નથી થતું. પ્રતિકૂળથી છૂટા છીએ, એ જલદી ખ્યાલ આવે છે.

દાદાશ્રી : પ્રતિકૂળ તો તરત જ ખ્યાલ આવે. હમણે ઊંઘતો માણસ, સહેજ આંખ ઉઘાડીને આમ છે તે આમ પડી રહ્યો હોય ઊંઘમાં ને ઊંઘમાં, એને આપણે ઘણુંય પાણી છાંટીએ ટાઢું, શિયાળાને દહાડે, તોય ઊઠે નહીં. પણ જો જરાક નાનો સાપનો કણો દેખે તો... ! એવું છે આ પ્રતિકૂળ ! આ અનુકૂળ તો એ થાય છે ને ! હા, ઊઠ્યો, કહેશે. હા, ઊઠ્યો, કહીને પાસું ફેરવીને સૂઈ જાય. આપણને કહેય ખરા, કે હા, ઊઠ્યો, આ હમણાં ઊઠ્યો. તમે તમારા કપડાં પહેરો ને, ત્યાં સુધી હું તૈયાર થઈ જઉ છું. તે પાસું ફેરવીને સૂઈ જાય પાછો, એવું અનુકૂળ છે.

અનુકૂળ સંયોગ ખરો ને ? અનુકૂળમાં ઠંડક લાગે. આટલું જ કાચું પડી જાય.

પ્રશ્નકર્તા : અનુકૂળ સંયોગોમાં કષાયભાવ

(પા.૧૬)

આવતો નથી ને પ્રતિકૂળ સંયોગોમાં કષાયભાવ બહુ આવી જાય છે, તો એને માટે શું કરવાનું ?

દાદાશ્રી : એવું છે ને, પ્રતિકૂળ એકલામાં જ કષાય થાય છે એવું નથી, અનુકૂળમાં બહુ કષાય થાય છે પણ અનુકૂળના કષાયો ઠંડા હોય. એને રાગકષાય કહેવાય છે. એમાં લોભ અને કપટ બેઉ હોય. એમાં એવી ખરેખરી ઠંડક લાગે કે દહાડે દહાડે ગાંઠ વધતી જ જાય. અનુકૂળ સુખદાયી લાગે છે, પણ સુખદાયી છે એ જ બહુ વસમું છે.

પ્રશ્નકર્તા : અનુકૂળમાં તો ખબર પડતી જ નથી કે આ કષાયભાવ છે.

દાદાશ્રી : એમાં કષાયની ખબર ના પડે. પણ એ જ કષાય મારી નાખે. પ્રતિકૂળના કષાયો તો ભોળા હોય બિચારા ! એની જગતને તરત જ ખબર પડી જાય. જ્યારે અનુકૂળના કષાયો, લોભ અને કપટ તો એ ફૂલીફાલીને મોટા થાય છે ! પ્રતિકૂળના કષાયો, માન અને ક્રોધ છે. એ બન્ને દ્વેષમાં જાય. અનુકૂળના કષાયો અનંત અવતારથી ભટકાવી મારે છે. તમને સમજમાં આવી ગયું ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એટલે બન્ને ખોટા છે - અનુકૂળ ને પ્રતિકૂળ.

દ્વેષ એ પ્રતિકૂળ કષાય કહેવાય અને રાગ એ અનુકૂળ કષાય કહેવાય. અનુકૂળ જ્યારે છોડવું હોય ત્યારે છોડાય, પણ અનુકૂળતામાં બહુ જાગૃતિ રાખવી પડે. પ્રતિકૂળ કડવું લાગે ને કડવું લાગે એટલે તરત જ જાગૃતિ આવી જાય. અનુકૂળ મીઠું લાગે.

કષાયો બહુ દુઃખદાયી છે ને ? અને પેલા સુખ આપે છે તે કષાયો, તે શું છે ?

પ્રશ્નકર્તા : એ તો આપે કીધું ત્યારે ખ્યાલ આવ્યો કે એ મહા દુઃખદાયી છે, નહીં તો અનુકૂળમાં કષાયો હોય એ સમજણમાં જ નહોતું આવતું.

દાદાશ્રી : ‘જ્ઞાની પુરુષ’ના દેખાડ્યા સિવાય મનુષ્યને પોતાની ભૂલનો ખ્યાલ ના આવે, આવી અનંતી ભૂલો છે. આ એક જ ભૂલ નથી, અનંતી ભૂલો ફરી વળી છે.

પ્રશ્નકર્તા : ભૂલો તો ડગલે ને પગલે થાય છે.

દાદાશ્રી : આ અનુકૂળ એ કષાયો કહેવાય એવું તમે બરાબર સમજી ગયા છો ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : આ જે નિરંતર ગારવરસમાં રાખે, ખૂબ ઠંડક લાગે, ખૂબ મજા આવે એ જ કષાયો છે તે ભટકાવનારા છે અને પ્રતિકૂળતામાં દ્વેષ કષાય, એટલે ક્રોધ ને માન હોય.

પ્રતિકૂળતામાં વધે ખરી જાગૃતિ

પ્રશ્નકર્તા : અનુકૂળતામાં પણ જાગૃતિમાં રહે તો વધારે ફાયદો ને ?

દાદાશ્રી : પૂરો ના રહી શકે. એટલે અમે પ્રતિકૂળ કરીએ ઊલટું, ના હોય તો.

પ્રશ્નકર્તા : અનુકૂળ ને પ્રતિકૂળ એ તો માનવા ઉપર છે ને કે સ્વભાવિક હોય છે આમ ?

દાદાશ્રી : છે એક્ઝેક્ટ, પણ મન છે ત્યાં સુધી એ હોય જ ને ! જ્યાં સુધી મનનો આધાર છે ત્યાં સુધી હોય જ.

પ્રશ્નકર્તા : આ દેહ છે એનેય પ્રતિકૂળ-અનુકૂળ લાગે જ ને બધું ?

દાદાશ્રી : ખરી રીતે દેહને લાગતું નથી, મનનું છે.

(પા.૧૭)

પ્રશ્નકર્તા : ગરમી લાગે ને એકદમ અકળામણ થઈ જતી હોય, તો આ ગરમી દેહને લાગે છે કે મનને લાગે છે ?

દાદાશ્રી : મનનું, દેહને કશું લાગે નહીં. બુદ્ધિ કહે એટલે મન ચાલુ થઈ જાય. બુદ્ધિ ના કહે તો વાંધો નહીં. બુદ્ધિ એટલે સંસાર જાગૃતિ.

પ્રશ્નકર્તા : પ્રતિકૂળતા એ અનુકૂળતા જ છે, એવી પણ અંદર ઊંધી ગોઠવણી કરી શકે છે ને, બુદ્ધિથી ?

દાદાશ્રી : હા. પણ જેને મોક્ષે જવું હોય એ ગોઠવણી કરે કે આ તો અનુકૂળ જ છે. ખરો લાભ આમાં છે પ્રતિકૂળતામાં. અમે ટાઢમાંય ઓઢેલું કાઢી નાખીએ, એટલે જાગૃતિ રહે.

પ્રશ્નકર્તા : એ વખતે કેવી જાગૃતિમાં રહો ?

દાદાશ્રી : જાગૃતિ જાગૃતિમાં રહી, નહીં તો જાગૃતિ ઊંઘે છે.

પ્રશ્નકર્તા : આ ઠંડી લાગવાથી ઊંઘ આવે નહીં. એટલે પછી જે જાગી ગયા, પછી જાગૃતિમાં રહેવાનું એવી રીતે ?

દાદાશ્રી : નહીં તો ઊંઘ આવી જાય. અને તે ઘડીએ કોઈ જગાડનાર હોય નહીં ને !

પ્રશ્નકર્તા : એ અંદર શું જાગૃતિમાં રહ્યા ?

દાદાશ્રી : બેભાનપણું ઓછું થઈ જાય ને ! જાગે એટલે તું જે કશું જાણતો હોય કે ‘હું શુદ્ધાત્મા છું’ એવું જ હોય ને !

તમારેય હવે સંયોગો એકલા રહ્યા છે. મીઠા સંયોગો તમને વાપરતા નથી આવડતા. મીઠા સંયોગો તમે વેદો છો, એટલે કડવા પણ વેદવા પડે છે. પણ મીઠાને ‘જાણો’, તો કડવામાં પણ ‘જાણવાપણું’ રહેશે ! પણ તમને હજુ પહેલાંની આદતો જતી નથી, તેથી વેદવા જાવ છો. આત્મા વેદતો જ નથી, આત્મા જાણ્યા જ કરે છે. જે વેદે છે તે ભ્રાંત આત્મા છે, પ્રતિષ્ઠિત આત્મા છે. તેનેય આપણે જાણવું કે ‘ઓહોહો ! આ પ્રતિષ્ઠિત આત્મા જલેબીમાં તન્મયાકાર થઈ ગયો છે.’

અનુકૂળે રાગ નહીં, પ્રતિકૂળે દ્વેષ નહીં

પ્રશ્નકર્તા : એટલે આ સંયોગોની બાબતમાં પ્રતિકૂળ-અનુકૂળ એ આપણે શબ્દો બનાવ્યા છે.

દાદાશ્રી : બધું આપણું જ, આ તો બધું મનનું સાધન, રાગ-દ્વેષનું સાધન. કારણ કે અનુકૂળ ત્યાં રાગ અને પ્રતિકૂળ ત્યાં દ્વેષ. જેને રાગ-દ્વેષ ગયા એટલે પછી બધું અનુકૂળ-પ્રતિકૂળ રહે નહીં. કહે ખરા વખતે અનુકૂળ-પ્રતિકૂળ, પણ એની ઉપર રાગ-દ્વેષ ના હોય એને. કારણ કે દેહ તો અનુકૂળથી ટેવાયેલો છે.

પ્રશ્નકર્તા : ના દાદાજી, એ પણ એક પ્રશ્ન છે કે એવું કંઈ નથી. દેહ અનુકૂળથી ટેવાયેલો છે એવું પણ નથી. હવે આપનો દેહ... એમાં એવું નથી કે અનુકૂળથી ટેવાયેલો છે.

દાદાશ્રી : ના પણ મારો દેહ તો અમુક બાબતમાં અનુકૂળથી ના ટેવાયેલો, પણ કોઈક બાબતો એવી મહીં થોડીઘણી રહી હોય.

પ્રશ્નકર્તા : પણ એ તો એવો પ્રસંગ બહુ ઓછો આવે દાદાજીને.

દાદાશ્રી : આ અનુકૂળતામાંથી નીકળે છે બહાર. અનુકૂળતા છોડતો છોડતો બહાર નીકળે છે. એટલે એને આપણે અનુકૂળથી ટેવાયેલો છે, એવું માનીએ તો એ ખોળે અનુકૂળતા. પણ આપણે અનુકૂળતા શું છે એવું માનીએ તો એ સમજ જ આપણને કામ આપે. અનુકૂળતા ઉપર

(પા.૧૮)

રાગ નહીં અને પ્રતિકૂળતા ઉપર દ્વેષ નહીં, એ આપણો સ્વભાવ. સારું જમવાનું આવે એટલે ખુશીથી જમતો જ હોય, એમાં તો ના કહેવાય જ કેમ કરીને ? એના મોઢા ઉપર જોઈએ તો ખુશી ના દેખાય ? અને કડવું આવે તે ઘડીએ ? મોઢું બગડી ના જાય પણ નાખુશ તો હોય જ એમ. કડવું ફળ મીઠું છે અને મીઠું કડવું છે એવું જો સમજી જઈશ ત્યારે મોક્ષે જઈશ !

‘ગમતું નથી’ આપણી ડિક્ષનરીમાં ના હોય

સુંવાળું ગમતું કર્યું તે પાછું કરકરું થઈને આવશે, એટલે આપણે તો કરકરા જોડે જ ‘ફ્રેન્ડશીપ’ (મિત્રતા) બાંધી લઈએ. નહોતું ગમવાનું તેને જ ગમતું કરી નાખીએ. આત્માને તો અનંત પાસાં છે. જે પાસાંનો ફેરવ્યો તે પાસાંનો તેવો થઈ જાય.

પ્રશ્નકર્તા : હું ના ગમતું હોય એવા કામ પણ કરું છું પણ આપ પૂછો છો એટલે કહું ને કે આ નથી ગમતું, એમ.

દાદાશ્રી : ‘ગમતું નથી’ એ શબ્દ જ કાઢી નાખો. આપણી ડિક્ષનરીમાં એ શબ્દ જ ના જોઈએ.

કોઈ તમને કહે કે ‘તમે નાલાયક છો એ તમને ગમે છે ?’ ત્યારે કહે, ‘હા, અમને ગમે છે !’ કહીએ. ‘લાયક છે’ એવું કહે તો ગમે છે એવું ? ‘લાયક છે’ ગમશે તો તમારી નબળાઈ થશે અને ‘નાલાયક છે’ કહે, એવું જો ગમશે તો નબળાઈ જશે. પેલા સાહેબ તો કહે છે કે અપમાનેય આપો ને માનેય આપો, બેઉ આપો.

આ ‘ના ગમે’, તેનો કંઈ ઉકેલ લાવવાનો કે નહીં લાવવાનો ? આ ‘ગમે’ તેનોય ઉકેલ લાવવાનો, સંઘરવાનું નથી. જે બધી વાતો ‘ગમે’ એ સંઘરવાની નહીં, એનોય ઉકેલ લાવવાનો ને આનોય ઉકેલ લાવવાનો છે. ‘ગમે’ એ ભરેલો રાગ નીકળે છે અને ‘ના ગમે’ એ ભરેલો દ્વેષ નીકળે છે. એટલે દ્વેષનો ઉકેલ લાવવાનો છે. એટલે ત્યાં અમારી પેઠે રહેવું, બધાની સાથે ભળતા ને ભળતા ! કારણ કે દ્વેષને લઈને જુદાઈ થઈ જાય. ભળતાં રહેવાથી જુદાઈ મટી જાય ને દ્વેષ ઓગળી જાય.

ના ગમતામાં રાખો ચોખ્ખું મન

ના ગમતું ચોખ્ખા મને સહેવાઈ જશે ત્યારે વીતરાગ થવાશે.

પ્રશ્નકર્તા : ચોખ્ખું મન એટલે શું ?

દાદાશ્રી : ચોખ્ખું મન એટલે સામા માટે ખરાબ વિચાર ના આવે તે. એટલે શું, કે નિમિત્તને બચકા ના ભરે. કદાચ સામા માટે ખરાબ વિચાર આવે તો તરત જ પ્રતિક્રમણ કરે, તેને ધોઈ નાખે.

પ્રશ્નકર્તા : ચોખ્ખું મન થઈ જાય એ તો છેલ્લા સ્ટેજની વાત ને ? અને જ્યાં સુધી સંપૂર્ણ ચોખ્ખું નથી થયું ત્યાં સુધી પ્રતિક્રમણ કરવા પડે ને ?

દાદાશ્રી : હા, એ ખરું; પણ અમુક બાબતમાં ચોખ્ખું થઈ ગયું હોય અને અમુક બાબતમાં ના થયું હોય. એ બધા સ્ટેપિંગ છે. જ્યાં ચોખ્ખું ના થયું હોય ત્યાં પ્રતિક્રમણ કરવું પડે.

અમને તો પહેલેથી જ જગતના શબ્દેશબ્દનો વિચાર આવે. પહેલાં ભલે જ્ઞાન નહોતું, પણ વિપુલ મતિ એટલે બોલતાંની સાથે જ ફોડ પડે, ચોગરદમના તોલ થાય. વાત નીકળે તો તરત જ તારણ નીકળી જાય, એને ‘વિપુલ મતિ’ કહેવાય. વિપુલ મતિ હોય જ નહીં કોઈને ! ‘આ’ તો એક્સેપ્શન (અપવાદ) કેસ બની ગયો છે ! જગતમાં વિપુલ મતિ ક્યારે કહેવાય ? એવરીવ્હેર એડજસ્ટ કરી આપે એવી મતિ હોય. આ તો કાચું કાપવાનું હોય તેને બાફી નાખે અને બાફવાનું હોય તેને

(પા.૧૯)

કાચું કાપી નાખે, તો ક્યાંથી એડજસ્ટ થાય ? પણ એવરીવ્હેર એડજસ્ટ થવું જોઈએ.

અનુકૂળમાં અમે બહુ ચેતતા

અમને ‘સ્વરૂપ જ્ઞાન’ નહોતું થયું ત્યારે અનુકૂળમાં અમે બહુ ચેતતા રહેતા. પ્રતિકૂળમાં તો આપણને ખબર પડશે. અનુકૂળથી જ બધું (લોક) રખડેલું. કો’કના ઘરમાં સાપ પેસી ગયો ને તેને એણે દીઠેલો હોય એટલે એને આપણે એમ ના કહેવું પડે કે સાપ પેસી ગયો છે, જાગતો રહેજે ! એટલે જાગતા રહેવા જેવું આ જગત છે. આ જે ભૂલો કરાવે છે ને જે ઝોકું ખવડાવે છે, તે અનુકૂળતા જ કરાવે છે.

આ તો પંખાનો મારી જાત ઉપર અનુભવ લીધેલો છે કે મારે શું થાય છે ? પહેલા પંખો રાખતો નહીં. ઓગણીસ્સો છપ્પન સુધી તિતિક્ષા નામનો ગુણ કેળવેલો. એક શેતરંજી ઉપર સૂઈ રહેતો હતો કાયમ અને પંખો રાખતો નહીં. તે બધા મિત્રમંડળ આવે, તે કહે કે તમે તો પંખો ના રાખો. કારણ કે તમે તો તપસ્વી પુરુષ છો, પણ અમારું શું થાય ? ત્યારે મેં કહ્યું, ‘ગોઠવો.’ એ ગોઠવવાથી પછી આ શાતાશીલિયું થયું શરીર.

એક ખેડૂત માણસ રોજ જોડા પહેરે, તો પછી જોડા ના હોય તે ઘડીએ (તડકામાં) દઝાય એ માણસ. નહીં તો શરીર દઝાય નહીં એવું થઈ જાય. એટલે હવે શાતાશીલિયા થયા તો પરવશ થવું પડે. જ્યારે પંખો ના હોય તો પરવશ થવું પડે. અને મારે ઉપયોગ બહાર રાખવો એ મુશ્કેલી પડે. આ થયું શું તે મારી વાત હું કરું છું. એટલે આ વાતને તમે સમજજો. પંખો બંધ કરશો નહીં, પણ આ પંખો એ હિતકારી નથી, એવું માનજો.

પ્લસ-માઈનસના એડજસ્ટમેન્ટે બધું અનુકૂળ

એક વખત અમે નહાવા ગયા ને પ્યાલો જ મૂકવાનો રહી ગયેલો. તે અમે જ્ઞાની શેના ? એડજસ્ટ કરી લઈએ. હાથ નાખ્યો તો પાણી બહુ ગરમ. નળ ખોલ્યો તો ટાંકી ખાલી. પછી અમે તો ધીમે ધીમે હાથેથી ચોપડી ચોપડી ટાઢું પાડીને નહાયા. બધા મહાત્માઓ કહે, ‘આજે દાદાને નહાતા બહુ વાર લાગી.’ તે શું કરીએ ? પાણી ટાઢું થાય ત્યારે ને ? અમે કોઈનેય આ લાવો ને તે લાવો એમ ના કહીએ, એડજસ્ટ થઈ જઈએ. એડજસ્ટ થવું એ જ ધર્મ છે. આ દુનિયામાં તો પ્લસ-માઈનસનું એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે. માઈનસ હોય ત્યાં પ્લસ અને પ્લસ હોય ત્યાં માઈનસ કરવાનું. અમે તો અમારા ડહાપણનેય જો કોઈ ગાંડપણ કહે તો અમે કહીએ, ‘હા, બરાબર છે.’ તે માઈનસ તુર્ત કરી નાખીએ.

અક્કલવાળો તો કોણ કહેવાય ? કોઈનેય દુઃખ ના દે અને જે કોઈ દુઃખ આપે તે જમા કરી લે તે. બધાને ઓબ્લાઈજ (ઉપકાર) કર્યા કરે આખો દહાડો. સવારે ઊઠે ત્યારથી જ એનું લક્ષ લોકોને કેમ કરીને હેલ્પફુલ (મદદરૂપ) થઈ પડું એવું જેને સતત રહ્યા કરે તે માનવ કહેવાય અને તે પછી આગળ ઉપર મોક્ષનો રસ્તો પણ મળી જાય.

સંસારમાં બીજું કશું ના આવડે તેનો વાંધો નથી, પણ ‘એડજસ્ટ’ થતાં તો આવડવું જ જોઈએ. સામો ‘ડિસ્એડજસ્ટ’ થયા કરે ને આપણે ‘એડજસ્ટ’ થયા કરીએ તો સંસારમાં તરી પાર ઊતરી જશો. બીજાને અનુકૂળ થતાં આવડે, એને કોઈ દુઃખ જ ન હોય. માટે ‘એડજસ્ટ એવરીવ્હેર.’ દરેક જોડે ‘એડજસ્ટમેન્ટ’ થાય એ જ મોટામાં મોટો ધર્મ. આ કાળમાં તો જુદી જુદી પ્રકૃતિઓ, તે ‘એડજસ્ટ’ થયા વગર કેમ ચાલે ?

(પા.૨૦)

આવી પડેલી પ્રતિકૂળતા સામે તપ

એવું છે, આ કાળમાં જીવોએ જાણીબૂઝીને તપ ના કરવા અને અજાણ્યા જે તપ આવે, એની મેળે આવી પડે તો તે તપ કરવાનું કહ્યું છે. કારણ કે આ દુષમકાળમાં એક તો મૂળ તપેલો જ હોય, પછી ઘરમાં હોય, બેડરૂમમાં હોય કે ઉપાશ્રયમાં હોય, પણ હોય તપેલો જ. તપેલાને તપવીને શું કામ છે ? માથું વાઢીને પાઘડી પહેરવા જેવી વાત છે એ. પ્યાલો ફૂટે એટલે તપ કરવાનું. છોકરો દુકાને ના ગયો ત્યારે તપ કરવાનું. જ્યારે આપણી પ્રકૃતિ પ્રતિકૂળતામાં ઊછળે ત્યારે મહીં ઘમસાણ મચી જાય, તે વખતે તપ કરવાનું છે. આ કાળમાં આવી પડેલા તપ કરવાના છે.

આ તપ કોઈનું શીખી લાવીને કરવા જેવું નથી. તારું મન જ રાત-દહાડો તપેલું છે ને ! તારું મન, વાણી અને વર્તન જે તપેલું છે તેને તું શાંત ભાવે સહન કર, એ જ ખરું તપ છે ! જ્યારે મન, વાણી અને વર્તન તપેલું હોય ત્યારે તેમાં તે વખતે તન્મયાકાર હોય, અને જ્યારે કશું તપેલું ના હોય ત્યારે તપ કરવા બેસે, પણ પછી તે વખતે શા કામનું ? તપ તો ક્યારે કરવાનું કહ્યું છે ભગવાને ? જ્યારે બધા ઝેર આપનારા આવે, તે વખતે મહીં અંતર તપે તોય સહન કરી લેવું; લાલ લાલ હૃદય થઈ જાય તોય શાંત ભાવે સહી લેવું. તપને બોલાવી લાવવાનું ભગવાને કહ્યું નથી, આવી પડેલા તપને હસતે મોઢે વધાવી લેવાનું કહ્યું છે. ત્યારે આ લોકો તો આવી પડેલા તપને આઘાપાછા કરે, મોં મચકોડે એટલે તે જ તપ જે આપવા આવ્યું હોય તેને અનેકગણું કરીને પાછું આપી દે અને ના આવેલા તપને બોલાવવા જાય. ના હોય ત્યાંથી, કોઈનું જોઈને શીખી લાવીને તપ કરવા બેસે ! અલ્યા, તપ તે કોઈનું શીખી લાવીને કરાતું હશે ? તારું તપ જુદું, પેલાનું તપ જુદું, દરેકનું તપ જુદું જુદું હોય. દરેકના કોઝીઝ જુદાં જુદાં હોય અને આજના કાળમાં તો, તપ તો સામેથી સહેજે આવી પડે તેમ છે.

ભગવાન મહાવીરે કહ્યું હતું, કે ‘કળિયુગમાં ચેતીને ચાલજે. તને જે પ્રાપ્ત તપ હોય તે ભોગવજે અને અપ્રાપ્ત તપને ઊભું ના કરીશ.’ સામો માણસ અથડાઈ પડ્યો અને તને અહીં વાગ્યું તો એ શાંતિથી તપ તપજે, ત્યારે ત્યાં ઝઘડો કરે અને ઘેર આવીને કહેશે કે ‘કાલે તો મારે ઉપવાસ કરવો છે.’ ‘અલ્યા, આમ શું કરવા કરે છે ? તને જો શરીરને અનુકૂળતા ના હોય તો એકાદ ટંક કે બે ટંક ઉપવાસ કરી નાખ, તેનો વાંધો નથી, એ સહજ સ્વભાવ છે. એવું જાનવરોમાં પણ હોય છે, પણ આવું તોફાન કરવાની જરૂર જ નથી.’ ભગવાને કહેલું, કે ‘ત્રણ કાળમાં, દ્વાપર, ત્રેતા અને સત્યુગમાં ત્યાગ કરજે, તપ કરજે, પણ ચોથા કાળમાં કળિયુગમાં તો તપ-ત્યાગ તારે ખોળવા નહીં જવું પડે, વેચાતા લેવા નહીં જવું પડે.’ એ તો જે કાળમાં વેચાતા લેવા જવું પડતું હતું તે કાળમાં આ તપ હતા. કારણ કે આખો દહાડો ખોળે તોય તપ જડે જ નહીં ને ! એ કાળ ગયા બધા. અત્યારે તો તપ કેટલાં બધાં મળે ?

અનાર્ય દેશમાં ભગવાન મહાવીરના તપ

મહાવીર ભગવાનને તપ ખોળવા જવું પડતું હતું તે કાળમાંય ! લોકો તો તપવાળા હતા, પણ ભગવાનને તપ ના આવે ને ? ભગવાનને તપ આવે નહીં તે એમના મનમાં વિચાર થયો, કે ‘આ બધા વહોરાવે છે તે મારે માટે ધ્યાન રાખીને રસોઈ બનાવે છે અને પછી વહોરાવે છે. એટલે મને કોઈ ગાળ ભાંડતું નથી, મને કોઈ કશુંય કરતું નથી. હજી મારે મહીં કર્મના ઉદય બાકી છે,’ એનું એમને પોતાને માલમ પડી જાય. જેમ વોમિટ થવાની હોય

(પા.૨૧)

તેની માણસને ખબર પડે, તેમ જ્ઞાનીઓને ઘણા કાળ પછી કર્મની વોમિટ થવાની હોય તેય ખબર પડી જાય. એવાં કર્મની જ્ઞાનીઓ ઉદીરણા કરે. મનુષ્યમાં ઉદીરણાની સત્તા છે. એટલે મહાવીર ભગવાને વિચાર કર્યો, કે ‘લાવ, આર્યદેશમાંથી અનાર્યદેશમાં જઉં તો મારા આ કર્મો ખરી પડે. કર્મનો હિસાબ છે.’ આ આર્યદેશના લોકો તો ‘પધારો, પધારો’ કરે છે અને ભગવાન ઉપર પુષ્પો વરસાવે, એટલે ભગવાનને થયું કે અનાર્યદેશમાં જવું. હવે અનાર્ય દેશ ૬૦ માઈલ છેટે હતો. તે ધોરી રસ્તા પરથી જવા ના મળ્યું. આખા ગામના લોકો જોડે વળાવવા આવેલા. લોકોએ ભગવાનને વિનંતી કરી, કે ‘ભગવાન, તમે આ સાંકડા રસ્તે ના જાવ. એ રસ્તે તો ચંડકોશિયો નાગ રહે છે. આ જંગલમાં એ નાગ કોઈને પેસવા જ દેતો નથી.જે જાય તેને જીવતો જવા ના દે. ભગવાન, તે તમને ઉપસર્ગ કરશે.’ પણ ભગવાને કહ્યું, કે ‘તમે બધા ના કહો છો, પણ મારે તો અહીં રહીને જ જવાની જરૂર છે. મને મારા જ્ઞાનમાં આવું દેખાય છે. હું આગ્રહી નથી, પણ મારા જ્ઞાનમાં દેખાય છે. માટે તમે બધા શાંતિપૂર્વક રહો અને મને જવા દો.’ એટલે બધા ગામના લોકો ત્યાં જ ઊભા રહ્યા. કોઈ જંગલમાં પેસે જ નહીં ને ! ચંડકોશિયાનું નામ જાણે એટલે કોણ પેસે ? ભગવાનને જવું હોય તો જાય, કહેશે ! ચંડકોશિયાની વાત આવી એટલે ભગવાન-બગવાન બધું છોડી દે ! છોડી દે કે ના છોડી દે આ લોક ?

ભગવાન તો જંગલના રસ્તે ગયા. ત્યાં ચંડકોશિયાને સુગંધ આવી, એટલે પછી એ વિફરે ને ? એ તો કોઈ જાનવરને જંગલમાં નહોતો આવવા દેતો, તે વિફરતો વિફરતો ભગવાનની સામે આવ્યો ને ભગવાનને પગે ડંખ માર્યો. તે ડંખ મારતાંની સાથે જ સહેજ લોહી તેના મોઢામાં પેસી ગયું. એ લોહી પેસવાથી એને પોતાને પાછલા ભવનું ભાન થયું. એટલે ભગવાને ત્યાં એને ઉપદેશ આપ્યો, ‘હે ચંડકોશિયા ! બૂઝ, બૂઝ, ને ક્રોધને શાંત કર.’ ગયા અવતારમાં ચંડકોશિયો એક સાધુ હતો ને શિષ્ય ઉપર ક્રોધ કર્યો તેથી તેની આ દશા થઈ ! ‘માટે હવે શાંત થા. તને જ્ઞાન આવ્યું છે એવો તું શુદ્ધાત્મા છું.’ ચંડકોશિયો ભાનમાં આવી ગયો, પૂર્વભવનું એને જ્ઞાન આવી ગયું. ગયા ભવમાં એને સાધુપણું હતું. તેણે શિષ્ય ઉપર ક્રોધ કર્યો હતો, કેવો ભયંકર ક્રોધ ? જેવો તેવો નહીં. આ લોકો બૈરીઓ ઉપર કરે છે એવો નહીં. શિષ્ય તો ફસાયો એટલે પછી ગુરુ કંઈ એને છોડે ? પછી એ ફસાઈ ગયેલાને ગુરુ માર આપ્યા જ કરે ! તે પછી સાપ ત્યાં આગળ પછાડા ખાઈને મરી ગયો. એના ઉપર કીડીઓ ખૂબ ચઢી ગઈ હતી, કારણ કે પછાડા ખાય એટલે લોહી નીકળે ને લોહી નીકળે એટલે કીડી ચઢે, ને કીડી તો ખેંચાખેંચ કરવા માંડી ! ચંડકોશિયાને ખૂબ બળતરા ઊભી થઈ, પણ તેણે શાંતિથી તપ સેવ્યું અને તે સારી ગતિમાં પહોંચી ગયો.

ભગવાન ત્યાંથી અનાર્ય, અનાડી દેશમાં વિચર્યા. ત્યાં લોકોએ એમને, ‘એય... આ બાવો આવ્યો છે, એને ઢેખાળા મારો. આ કેવો બાવો છે ? લૂગડાં-બૂગડાં પહેરતો નથી. મારો એને.’ તે ભગવાનને તો મહીં પેસતા પહેલાં જ પ્રસાદી મળવા માંડી ! ભગવાન તો જાણતા હતા કે ‘હું ક્યાં પ્રસાદી ખાઉં છું ?’ તે તેમને તો ‘ખરેખરી પ્રસાદી’ મળવા માંડી ! કો’ક જગ્યાએ દયાળુ માણસ હોય તે કકડો રોટલો આપે. આર્યદેશમાં પેલી મીઠાઈઓ મળતી હતી, તે અહીં ક્યાંથી લાવે ? ભગવાને અમુક કાળ અનાડી દેશમાં વિતાવી, કર્મ ક્ષય થયા ત્યારે પાછા ફર્યાં. અત્યારે તો બધાને ઘેર બેઠાં અનાડી દેશ છે તોય લોક ભાંજગડ કરે છે !

(પા.૨૨)

પ્રાપ્ત તપનો શાંતિથી નિકાલ

તમે તો કેટલા પુણ્યશાળી કહેવાઓ કે તમારે ઘેર બેઠાં જ અનાડી દેશ છે ! આપણે ઘરમાં પેઠા કે આપણા ઘરમાં જ અનાડી દેશ ! જમીએ ત્યાં જ, ખાઈએ-પીએ ત્યાં જ અનાડી દેશ બધો હોય. હવે અહીં આગળ તપ તપવાનું છે. ભગવાનને તપ ખોળવા ૬૦ માઈલ વિચરવું પડ્યું હતું, અનાડી દેશ ખોળવા માટે ! જ્યારે આજે તો ઘેર બેઠાં જ અનાડીપણું લોકોનું નથી લાગતું ? તો મફતનું તપ મળ્યું છે તો શાંતિથી સહન કરી લો ને ! આ કાળના લોકોય કેટલા પુણ્યશાળી છે ! આને પ્રાપ્ત તપ કહેવાય. આડોશી-પાડોશીઓ, ભાગિયા, ભાઈઓ, વહુ, છોકરાં બધાંય તપ કરાવે એવાં છે ! આગળના કાળમાં તો ઘેર બધી જ અનુકૂળતા રહેતી. આ પ્રતિકૂળ કાળ આવ્યો છે. ઘેર બેઠાં જ પ્રતિકૂળતા હોય, બહાર ખોળવા જવું ના પડે. આ કાળ જ એવો છે કે ક્યાંય એડજસ્ટમેન્ટ જ ના થાય. ઘરમાં, બહાર, પાડોશીઓ બધેથી જ ડિસ્એડજસ્ટમેન્ટ આવી પડે, તેને તું સહન કર અને એડજસ્ટ થઈ જા.

પ્રતિકૂળતામાં કહેવું, દાદાઈ બેંક ખુલ્લી છે

અવળી સમજણ એ દુઃખ છે અને સવળી સમજણ એ સુખ છે. એને સમજણ કઈ મળે છે તે જોવાનું છે. અવળી સમજણની આંટી પડી તો દુઃખ, દુઃખ ને દુઃખ અને એ આંટી સવળી સમજણથી છૂટી ગઈ તો સુખ, સુખ ને સુખ ! બીજું દુઃખ-સુખ છે જ નહીં દુનિયામાં. એટલે અવળી સમજણની જ આંટી પડી જાય છે. બાકી થોડાઘણા દેહના દંડ તો હોય ! દેહ ધર્યાનો દંડ તો હોય ને ? દાઢ દુઃખે તે કોઈ દુઃખ દેવા આવ્યો છે ? એ તો દેહના દંડ કહેવાય. કોઈ સગુંવહાલું હોય, તેનો હિસાબ હોય તો તે ચૂકતે કરે તો આપણાથી તેને ના કહેવાય ? આપણે કહીએ, કે ‘દાદા, હમણે હિસાબ બંધ કરી આપો.’ તો દાદા બંધ કરી આપે, પણ ચોપડામાં બાકી રહ્યું ને ! તે ઉઘરાણીવાળાને ઘરના ચા-પાણી પાઈને ‘‘અલીસા’બ, અલીસા’બ’’ કરીને પાછો કાઢીએ તો પણ એ પાછો તો આવશે ને ? એના કરતાં એકવાર આપી દેને અહીંથી ! નહીં તોય ફરી આવ્યા વગર એ રહેવાનો નથી. એ લીધા વગર કંઈ છોડે ? માટે પ્રતિકૂળતામાં કહીએ, કે ‘લઈ જાઓ, લઈ જાઓ !’ આપણે દાદાઈ બેંક છે ને !

દુષમકાળમાં આપણને જે બધા માણસો ભેગા થાય છે તેમાં ઘણો ભાગ દુઃખ આપવા માટે જ હોય છે, થોડોઘણો ભાગ આપણને સુખ આપવા માટે પણ હોય. પાપના ઉદયના ફળથી દુઃખ આપવા માટે ભેગો થાય, પણ તે સારું છે. કારણ કે છૂટવાનો વહેલો રસ્તો જડ્યો ને !

જ્ઞાની સાંનિધ્યે પ્રત્યેક સંજોગો નિકાલી

પ્રશ્નકર્તા : એકવાર જ્ઞાની પુરુષના દર્શન થઈ ગયા પછી ઉદય અનુકૂળ જ આવે ને લગભગ ?

દાદાશ્રી : ઘણાખરા ઉદય અનુકૂળ જ હોય. પણ કોઈ હોય ને જરા સળી કરે એવો, ત્યારે કો’કને વળી પાછો એવો, એકાદ અવળો, પ્રતિકૂળેય આવે. પણ તોય નિકાલ થઈ જાય ત્યાં. જ્ઞાની પુરુષ મળ્યા પછી નિકાલ થઈ શકે. બાકી સાનુકૂળ જ હોય. કારણ કે પેલા પાપ તો ધોવાઈ જાય ત્યાર પછી જ્ઞાન પ્રગટ થાય. જે પ્રતિકૂળ પાપ હતા ને, તે ધોવાઈ જાય. જે જ્ઞાનને આંતરતા હતા, જે જાગૃતિને આંતરતા’તા, પ્રતિકૂળ પાપો હતા એ ધોવાઈ ગયા. પછી અનુકૂળ જ આવે બધું. બધું અનુકૂળ જ આવે છે ને ?

અવળા સંયોગોમાં જ્ઞાન ખીલે

આપણને પણ સંયોગ આવે છે પણ આપણે

(પા.૨૩)

કયા સંયોગ પસંદ કરવાના કે જે રીયલમાં હેલ્પ કરે તે. રીયલનું માર્ગદર્શન આપે તે સંયોગ પસંદ કરવાના, રીલેટિવનું માર્ગદર્શન આપે તે સંયોગ પસંદ નહીં કરવાના. જગતના લોકો સંયોગોના બે ભાગ પાડે : એક નફાના ને બીજા ખોટના; પણ આપણે તો જાણીએ કે નફો-ખોટ એ કોની સત્તા છે ? એ ના હોય આપણી સત્તા ! આપણે તો સત્સંગ મળે એ સંયોગ પસંદ કરવા યોગ્ય ! બીજા તો બધા સંયોગો તે સંયોગો જ છે. અરે, મોટામાં મોટા રાત-દા’ડો જોડે જ સૂઈ રહેનારા સંયોગ - મન-વચન-કાયાના સંયોગ એ જ દુઃખદાયી થઈ પડ્યા છે, તો પછી બીજો કયો સંયોગ સુખ આપશે ? આપણને તો આ સંયોગ છોડે તેમ નથી, પણ ત્યાં સમભાવે નિકાલ કરવાનો છે ! આમાં કેવું છે કે જેમ અવળા સંયોગ વધારે હોય તેમ આ જ્ઞાન વધારે ખીલે તેમ છે !

જે સંજોગો તમને આ મળ્યા, તે સંજોગોને અનુકૂળ થશો એટલે સંજોગ તમને અનુકૂળ થશે. સંજોગો તમને પોતાને અનુકૂળ થઈ જશે.

પ્રશ્નકર્તા : થઈ જવાના જ છે આપણને, હા.

દાદાશ્રી : તમારે ફક્ત અનુકૂળ થવાની જરૂર છે. પછી તમે શોખીન થઈ જાવ, તેમાં પછી શોખ શું કરે તે ?

પ્રશ્નકર્તા : એ પ્રયત્ન કરવાનો સંજોગોને અનુકૂળ થવાનો.

દાદાશ્રી : એ તો આપણે હોવો જ જોઈએ ને !

વિજ્ઞાન મળ્યા પછી અનુકૂળતામાંય ફિક્કાસ

પ્રશ્નકર્તા : દાદા, આપણા વિજ્ઞાનમાં આપ અંદરથી રસ સૂકવી નાખો છો. આપણા વિજ્ઞાનમાં અંદરનો રસ જે છે એ બધો સૂકાઈ જાય છે.

દાદાશ્રી : ના, આ વિજ્ઞાન જ કામ કરી રહ્યું છે. એ તો રસ સૂકાતો નથી પણ જલેબી ખઈએ ને પછી ચા પીએ ને જેમ મોળી પડી જાય છે એમ. સૂકાતું નથી કશું પણ એને ફિક્કું લાગે. સંસાર ફિક્કો લાગે.

પ્રશ્નકર્તા : સંસાર ફિક્કો લાગે. નહીં તો આમ ફિક્કો લાગે સંસાર ?

દાદાશ્રી : એટલે એની મેળે સ્વાભાવિક રીતે છૂટી જાય. ઈચ્છાઓ મોળી પડી જાય.

પ્રશ્નકર્તા : દાદા, આપણું વિજ્ઞાન મળ્યા પછીથી તો સંસારમાં બધી જાતની અનુકૂળતા હોય તોય ત્યાં ફિક્કાશ લાગે છે.

દાદાશ્રી : હા, ફિક્કાશ લાગે, ફિક્કાશ. બધું બહુ અનુકૂળ હોય તોય ફિક્કાશ લાગે.

પ્રશ્નકર્તા : અનુકૂળતા ચારેય બાજુની મળી હોય તોય ફિક્કાશ લાગે.

દાદાશ્રી : ઊલટો બોજો લાગે. બહુ ઓર જ જાતનું વિજ્ઞાન છે ! તેથી અપૂર્વ કહેવાય ને ! પૂર્વે સાંભળ્યું નથી, વાંચ્યું નથી, જાણ્યું નથી એવું આ અપૂર્વ વિજ્ઞાન !

સંયોગોના માત્ર જ્ઞાતા-દ્રષ્ટા

દરેક માણસે એટલું તૈયાર થવાનું છે કે કોઈ પણ જગ્યા એને બોજારૂપ ના લાગે. જગ્યા એનાથી કંટાળે, પણ પોતે કંટાળો ના પામે એટલે સુધી તૈયાર થવાનું છે; નહીં તો આ તો અનંત જગ્યાઓ છે, અનંત ક્ષેત્રો છે, ક્ષેત્રનો પાર નથી.

ખરી રીતે સંયોગો અને શુદ્ધાત્મા સિવાય બીજું કશું છે જ નહીં. સંયોગો પાછા બે પ્રકારના - પ્રતિકૂળ અને અનુકૂળ. એમાં અનુકૂળનો વાંધો ના આવે; પ્રતિકૂળ એકલા જ હેરાન કરે. એટલા જ

(પા.૨૪)

સંયોગોને આપણે સાચવી લેવાના. અને સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે. એટલે એનો ટાઈમ થાય એટલે હેંડતો થાય. આપણે એને ‘બેસ, બેસ’ કહીએ તોય ના ઊભો રહે !

નઠારા સંયોગ વધારે રહે નહીં. લોકો દુઃખી કેમ છે ? કારણ કે નઠારા સંયોગોને સંભારી સંભારીને દુઃખી થાય છે. એ ગયો, હવે શું કામ કાંણ માંડી છે ? દાઝે તે વખતે રડતો હોય તો વાત જુદી છે, પણ હવે તો તને મટવાની તૈયારી થઈ તોય બૂમો પાડે કે ‘જુઓ, હું દાઝયો, હું દાઝયો !’

કેટલાકને દિવસ ફાવે ને રાત ના ફાવે, પણ આ બંને સંયોગો રીલેટિવ છે. રાત છે તો દિવસની કિંમત છે અને દિવસ છે તો રાતની કિંમત છે !

વીતરાગ ભગવાન શું કહે છે, કે ‘આ બધા સંયોગો જ છે, બીજો આત્મા છે, એ સિવાય ત્રીજું કશું જ નથી.’ એમને ખરું-ખોટું, સારું-નરસું કશું જ ના હોય. ‘વ્યવસ્થિત’ શું કહે છે, કે ‘આ સંયોગોમાં તો કોઈનું કિંચિત્ માત્ર પણ વળે નહીં, બધો જ પાછલા ચોપડાનો હિસાબ માત્ર છે.’ વીતરાગોએ શું કહ્યું કે બધા સંયોગો એક સરખા જ છે. આપવા આવ્યો કે લેવા આવ્યો, બધું એક જ છે, પણ અહીં બુદ્ધિ ડખો કરે છે. સંયોગોના માત્ર ‘જ્ઞાતા-દ્રષ્ટા’ જ રહેવા જેવું છે. આ સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે. ભેળા થવાના સંયોગ પૂરા થાય એટલે વિખરાય ત્યારે જે મણનું હતું તે પછી ૩૮ શેર થાય, ૩૬ શેર થાય, પછી ક્રમશઃ તે પૂરું થાય.

સંયોગો કમ્પ્લીટ વિયોગી સ્વભાવના છે. એ તો એક આવે ને અગિયાર ને પાંચ મિનિટ થાય તો હેંડતો થાય ! એને કહીએ કે ‘લે, ઊભો રહે, જમીને જા.’ તોય એ ના ઊભો રહે. એનો કાળ પાકે એટલે ચાલતો જ થાય. પણ આ તો કેવું છે કે બે મિનિટ પછી વિયોગ થવાનો હોય ત્યાં તે રાહ જુએ કે ‘હજી નથી ગયો, હજી નથી ગયો, ક્યારે જશે ?’ તે બે મિનિટની એને દસ મિનિટ લાગે ! આ રાહ જોવાથી તો કાળ લાંબો લાગે છે ! બાકી સંયોગ તો વિયોગી સ્વભાવના જ છે.

દરેક સંયોગોમાં આપણે પોતે ભળવા જેવું નથી, એના તો ફક્ત જ્ઞાતા-દ્રષ્ટા માત્ર છીએ. સંયોગોની સાથે આપણે ઝઘડો કરવાનીય જરૂર નથી કે તેની સાથે બેસી રહેવાનીય જરૂર નથી. કોઈ પણ સંયોગ આવે તો કહી દઈએ, કે ‘ગો ટુ દાદા.’ દરેક સંયોગ તો નિરંતર બદલાયા જ કરવાના અને આપણે તેનાથી ભિન્ન છીએ. વિચાર આવ્યો એ સંયોગ અને તેમાં ભળીને હાલી જાય તે ભ્રાંતિ છે, તેને તો માત્ર જોવા ને જાણવા જોઈએ.

સંજોગોને એડજસ્ટ થાવ

દરેક વ્યક્તિના જીવનમાં અમુક પ્રિન્સિપલ (સિદ્ધાંત) હોવા જ જોઈએ. છતાંય સંજોગો પ્રમાણે વર્તવું જોઈએ. સંજોગોને એડજસ્ટ થાય તેનું નામ માણસ. એડજસ્ટમેન્ટ જો દરેક સંજોગોમાં કરતાં આવડે તો ઠેઠ મોક્ષે પહોંચી શકાય એવું ગજબનું હથિયાર છે.

‘વ્યવસ્થિત’ જો પૂરું સમજતા હોય તો ખેંચ શબ્દ હોય જ નહીં. સામાને કહીએ, તમને જેમ અનુકૂળ આવે તેમ કરો. આપણે અનુકૂળ થઈ જઈએ. ‘વ્યવસ્થિત’ની બહાર કશું થાય નહીં.

જગતના લોકો ‘વ્યવસ્થિત છે’ એવું ના સમજે, પણ ‘જે થયું તે બરાબર છે’ કહેશે. પણ આપણે ‘વ્યવસ્થિત’ સમજી જવાનું. હવે ‘આપણા લોકો’ બહુ ત્યારે ચાર બાબતમાં ‘વ્યવસ્થિત’ સમજ્યા હોય. પણ પાછું આપણું અપમાન કરે કે

(પા.૨૫)

હલી જાય, પણ પછી તરત જ ‘વ્યવસ્થિત’ સમજાય તો સ્થિરતા રહે. આ તો એવું છે ને, કેટલી બધી બાબતો રહી ગયેલી હોય ! ‘વ્યવસ્થિત’ જો સમજ્યો હોય ને, તેને તો રાગ-દ્વેષ જ હોય નહીં. ભણેલું તો ત્યારે કહેવાય કે ‘વ્યવસ્થિત’ એક્ઝેક્ટ (જેમ છે તેમ) સમજે.

તમને ‘વ્યવસ્થિત’ સમજાયું છે ? અપમાનની જગ્યાએ જવું પડે તો તમને શું થાય ? અપમાન થાય એની સાથે ‘વ્યવસ્થિત છે’ કહી અને શોધખોળમાં પડવાનું કે ‘કેવી રીતે આ ગોળી વાગી ? આવી ક્યાંથી ? મારનાર કોણ ? શું થયું ? કોને વાગી ? આપણે કોણ ?’ પેલું ‘વ્યવસ્થિત’ ના સમજાય, ત્યાં સુધી એમ જ જાણે કે ‘આણે મને મારી છે. મેં જાતે જોઈ છે ને !’ એટલે આ ‘વ્યવસ્થિત’ જો સમજ્યો હોત ને, તો વીતરાગ થાત.

‘વ્યવસ્થિત’ તે નદી અને આપણું નાવડું. તે નાવડું નદીને કહે છે, ‘તું વાંકીચૂંકી ના ચાલીશ.’ ત્યારે નદી નાવડાને કહે છે, ‘મૂઆ, તું વાંકુચૂંકું ના ચાલીશ. તારે જો જીવતા રહેવું હોય તો હું કરું તેમ કરજે, હું ચાલું તેમ ચાલજે. મને અનુકૂળ થજે, નહીં તો તારા ભાંગીને ભૂક્કા થઈ જશે, મરી જઈશ !’

અનુકૂળમાં બેભાન, પ્રતિકૂળતામાં પ્રગતિ

સંયોગો તો બધા બદલાયા કરવાના. એ પોતે ‘એડજસ્ટ’ નહીં થાય, તમારે ‘એડજસ્ટ’ થવું પડશે. સંજોગોમાં ભાવ નથી અને આપણામાં ભાવ છે. સંજોગોને અનુકૂળ કરવા એ આપણું કામ. પ્રતિકૂળ સંજોગો એ અનુકૂળ જ છે. દાદરો ચઢે છે તે ઘડીએ હાંફ ચઢે છે, પણ શાથી ચઢે છે ? ઉપર જવાશે, ઉપરનો લાભ મળશે, તે ભાવ રહે છે !

અનુકૂળ ને પ્રતિકૂળ બધું બાહ્ય ભાગનું જ છે, બહારનો ભાગ છે ને તે જ વર્તે છે, આત્મા વર્તતો નથી. પ્રતિકૂળ હોય ત્યારે બાહ્ય ભાગ એબ્સંટ થાય, ત્યારે આત્મા હાજર થાય. અનુકૂળતામાં બાહ્ય ભાગ પ્રેઝન્ટ (હાજર) હોય જ. એટલે આપણે આત્મા પ્રેઝન્ટ કરવો હોય તેને પ્રતિકૂળતા સારી અને દેહ પ્રેઝન્ટ કરવો હોય તો અનુકૂળતા સારી.

જે પ્રતિકૂળ આપણને લાગે ને, તેનાથી આત્મશક્તિ બહુ વધી જાય. પ્રતિકૂળ લાગે અને છતાંય પ્રતિકૂળની સાથે રહેવાય તો આત્મશક્તિ બહુ વધે. પણ આપણા સંસારના લોકો તો તરત રજા જ આપી દે. એમને માફક ના આવ્યું ને બીજે દહાડે વિનંતી કરીને રજા આપી દે. અને અહીં એવું ના થાય.

અનુકૂળથી તો આખું જગત બધું રખડેલું છે. આપણે જો આત્મા થવું હોય તો પ્રતિકૂળતા લાભદાયી છે ને આત્મા ના થવું હોય તો અનુકૂળતા લાભદાયી છે. જાગૃતિના માર્ગ ઉપર ચાલ્યા એટલે પ્રતિકૂળતા ફાયદાકારક અને બેભાનતાના માર્ગ પર એ અનુકૂળતા ફાયદાકારક.

અનુકૂળ-પ્રતિકૂળ બન્ને પ્રત્યે સમાન ભાવ

હવે આપણે આત્મા જ થઈ ગયા. એટલે બધે જ્યાં જોઈએ ત્યાં અનુકૂળ આવી ગયું, નહીં ?

પ્રશ્નકર્તા : હા, બધે.

દાદાશ્રી : આ મળ્યું તોય અનુકૂળ. એ ના મળ્યું, તે મળ્યું તોય અનુકૂળ. એટલે અનુકૂળ- પ્રતિકૂળ સરખું થઈ પડ્યું. સમાન ભાવ ! ધન્ય છે, તમારા જ્ઞાનનેય ધન્ય છે કે અનુકૂળ-પ્રતિકૂળ સરખું થઈ ગયું ! આપણે તો છેલ્લી વાત પકડવી, અનુકૂળ ને પ્રતિકૂળ એક જ કરી નાખો.

જય સચ્ચિદાનંદ