મહાત્માઓને અંતિમકાળે અવશ્ય સમાધિદશા

સંપાદકીય

અક્રમ વિજ્ઞાન થકી પરમ પૂજ્ય દાદા ભગવાને (દાદાશ્રીએ) સંસાર બંધનનું ધોરી મૂળ ‘કર્તા કોણ’ અને ‘હું કોણ છું’ એ ભેદવિજ્ઞાનના પ્રયોગમાં પોતાના સ્વરૂપનું વાસ્તવિક ભાન કરાવ્યું છે. પરિણામે મહાત્માઓ ક્ષણે-ક્ષણે ભય પમાડતા સંસારમાં નિરંતર નિર્ભયતામાં રહે છે, તે આ કાળનું મોટું આશ્ચર્ય છે. તેમ છતાં મહાત્માઓને ઉંમર વધતા, શારીરિક વેદનાના સમયે કે મૃત્યુ સમીપ આવતા, મૃત્યુનો ડિસ્ચાર્જ ભય રૂપી ભરેલો માલ ઘણીવાર વિચલિત કરી દે છે.

અનંત અવતાર દેહાધ્યાસમાં રહી પૂરા કર્યા. જ્ઞાન પછી હું આ દેહથી જુદો આત્મા છું એવી જાગૃતિ છે છતાં અંતિમ ઘડીએ અનેક પ્રશ્નો ઊભા થાય છે, જેમ કે મૃત્યુ સમયે કેવા વિચાર આવશે, મારા આત્માની ગતિ શું થશે, આયુષ્ય બંધ ક્યારે પડશે, મૃત્યુની વેદના વખતે અંતિમ પરિણતિ કેવી રહેશે, હું શુદ્ધાત્મામાં રહી શકીશ કે નહીં, દાદા હાજર રહેશે કે નહીં, મહાવિદેહ જવાશે કે નહીં વિગેરે.

દાદાશ્રી ગેરેન્ટી સાથે કહેતા કે આપણા મહાત્માઓને મૃત્યુ વખતે સમાધિદશા જ રહેશે. સમાધિમરણ એટલે ‘પોતાના સ્વરૂપ’ સિવાય બીજું કશું યાદ જ ના હોય. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર કશું જ હાજર ના હોય, આત્મામાં જ હોય. મૃત્યુ વખતે શરીરને વેદના હોય કે ના પણ હોય, પણ જે આત્મામાં હોય એને આ વેદના-દુઃખનો ભોગવટો જ ન હોય. આ જ્ઞાનનું પરિણામ જ સમાધિ દશા છે. પોતાને સમાધિ દશા છે તેની ખાતરી શું ? અંદરથી રાગ-દ્વેષ મોહના દોરા છૂટી જાય છે, ચોખ્ખા થઈ જાય છે ત્યારે પોતાને દુઃખ ના હોય અને આજુબાજુવાળાનેય દુઃખ ના હોય. સમાધિમરણ તો ઊંચી દશા છે, જે અનંત અવતારના મરણા ટાળે છે.

પ્રસ્તુત અંકમાં દાદાશ્રી અત્યંત કરુણા સાથે કહે છે, જે મહાત્માઓ અમારી આજ્ઞા પાળે છે ત્યારે એમની છેલ્લી ઘડીએ અમારે ખડે પગે હાજર રહેવું જ પડે અને એની આંગળી ઝાલીને સીમંધર સ્વામી પાસે લઈ જવું પડે. આજ્ઞા પાળે ત્યાં અમારી જવાબદારી છે. આપણા મહાત્માઓને જ્યારે મૃત્યુ નજીક આવશે ત્યારે દેહને ગમે તેવી વેદના આવશે પણ પોતે શુદ્ધાત્માની ગુફામાં પેસી જશે. વેદના વખતે પોતાના અવ્યાબાધ સ્વરૂપની રમણતામાં સહેજે રહેશે. ખોખાને મૂકવાનું થશે ત્યારે કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય કંઈ જોઈતું નથી એ જાગૃતિ અચૂક આવશે. મહાત્માઓને હવે જીવનની અંતિમ અવસ્થામાં દેહના ‘મૃત્યુ’ વખતે પોતે આત્માની ખુમારી સાથે ‘હું કેવળજ્ઞાન સ્વરૂપ જ છું’ એવો ગજબનો પુરુષાર્થ મંડાય અને શુદ્ધાત્માની જાગૃતિ સાથે સમાધિદશા પ્રાપ્ત થાય, એજ હૃદયપૂર્વકની ભાવના છે.

~ જય સચ્ચિદાનંદ.

મહાત્માઓને અંતિમકાળે અવશ્ય સમાધિદશા

(પા.૪)

નિજસ્વરૂપના ભાને ભય જાય

પ્રશ્નકર્તા : મૃત્યુ નિશ્ચિત છે, પછી ભય કેમ છે ?

દાદાશ્રી : એવું છે ને, નિશ્ચિત વસ્તુ એ જુદું છે. પણ ભય કેમ લાગે છે ? ‘હું ચંદુભાઈ છું’ એટલે મરણનો ભય લાગે છે. એ જે જ્ઞાન છે આપણને, એ જ્ઞાન વિભાવિક જ્ઞાન છે.

સ્વભાવિક જ્ઞાન થાય તો એ ભય જાય. નહીં તો જાય નહીં ને ! એ નિશ્ચિત છે તોય મહીં ફફડાટ થયા કરે કે આ રહી ગયું, છોકરી પૈણાવાની રહી ગઈ, ફલાણું રહી ગયું. પણ ‘હું ચંદુભાઈ છું’ ત્યાં સુધી ને ! ‘ચંદુભાઈ’ પદ ના હોય એટલે પછી છૂટી ગયું ભયવાળું. તેથી અમે આ જ્ઞાન આપીએ ને ! જ્ઞાન આપીને બેય જુદું પાડી આપીએ. ચંદુભાઈવાળો ભાગ જુદો અને આત્માવાળો ભાગ જુદો. સ્વ જુદું અને પર જુદું. હોમ ડિપાર્ટમેન્ટ જુદું અને ફૉરેન ડિપાર્ટમેન્ટ જુદું. બેઉ જુદેજુદું પાડી આપીએ અને લાઈન ઑફ ડિમાર્કેશન હઉ નાખી આપીએ. જેમ હિન્દુસ્તાન-પાકિસ્તાન વચ્ચે ડિમાર્કેશન લાઈન નાખી છે ને, એવી ડિમાર્કેશન લાઈન નાખીને એટલે હદ કોઈ કોઈની ઓળંગવી નહીં. શું કહે છે ?

પ્રશ્નકર્તા : હદ ઓળંગવી નહીં.

દાદાશ્રી : હં. આ તો માલિક થઈ બેઠા છે. જ્યાં આગળ પોતે નહોતા ત્યાં આરોપિત ભાવ કર્યો છે. એટલે ભય ક્યારે છૂટે ?

પ્રશ્નકર્તા : સ્વભાવમાં આવે ત્યારે.

દાદાશ્રી : એ પોતે પોતાના નિજસ્વરૂપનું ભાન થાય, કે ‘હું આ જ છું’ એવું ભાન થાય ત્યારે છૂટે. ભાન થયા વગર ભય છૂટે નહીં. અને ભય છૂટ્યો એટલે થઈ ગયો મહાવીર ! બાળ મહાવીર થઈ ગયા. પછી યુવાન મહાવીર. પછી વૃદ્ધ મહાવીર ને ચોથા મહાવીર મોક્ષે.

સેલ્ફનું રિયલાઈઝ થયું એટલે બધા અવતારનું ફળ મળ્યું. આ તો લિફ્ટ માર્ગ છે, વૈભવવાળો માર્ગ છે ! લાખ અવતાર ભટક ભટક કરે તોય આમાંનો એક અક્ષરેય ના પામે એવી આ વાત છે ! આ તો સ્વ-પરની, હોમ અને ફોરેનની વાત છે.

(નિજ) સ્વરૂપની માત્ર શ્રદ્ધા જ બેસે, તો જગતમાં કોઈ જગ્યાએ ડર લાગે જ નહીં, ભય જતો રહે.

આ જ્ઞાન મળ્યા પછી કોઈ પણ ભય એને સતાવી ના શકે, નિરંતર નિર્ભય રહી શકે. બને કે ના બને ? કોઈ નિર્ભય જોયેલા ?

પ્રશ્નકર્તા : નિર્ભય આપ જે સેન્સ(સંદર્ભમાં)માં કહો છો, એ સેન્સમાં નથી જોયા.

દાદાશ્રી : નિર્ભય હોય નહીં. એ તો એવા આ કૃષ્ણ ભગવાન થઈ ગયા, આ મહાવીર ભગવાન થઈ ગયા. બાકી કોઈ હોય નહીં. માણસનું શું ગજું નિર્ભય થવાનું ? એટલે વીતરાગતા હોય તો જ નિર્ભય થવાય. રાગ-દ્વેષ ન હોય ત્યારે નિર્ભયતા થાય.

જન્મે નહીં તેનું મૃત્યુ કેવું ?

પ્રશ્નકર્તા : મૃત્યુ એ શું છે ?

દાદાશ્રી : મૃત્યુ તો એવું છે ને, આ ખમીસ સિવડાવ્યું એટલે ખમીસનો જન્મ થયો ને, ને જન્મ થયો એટલે મૃત્યુ થયા વગર રહે જ નહીં. કોઈ પણ વસ્તુ જન્મે તેનું મૃત્યુ અવશ્ય હોય. અને આત્મા અજન્મા-અમર છે, તેને મૃત્યુ જ નથી હોતું.

(પા.૫)

એટલે જેટલી વસ્તુ જન્મે તેનું મૃત્યુ અવશ્ય હોય અને મૃત્યુ છે તો જન્મ પામશે. એટલે જન્મની સાથે મૃત્યુ જોઈન્ટ થયેલું છે. જન્મ હોય ત્યાં મૃત્યુ અવશ્ય હોય જ.

પ્રશ્નકર્તા : પણ મૃત્યુ એ વસ્તુસ્થિતિમાં શું છે ?

દાદાશ્રી : રાત્રે ઊંઘી જાવ છો ખરા, પછી ‘ક્યાં જાવ છો ? સવારમાં ક્યાંથી આવો છો તમે ?’

પ્રશ્નકર્તા : એવી ખબર નથી.

દાદાશ્રી : એવી રીતે જન્મ-મરણ છે. મર્યા પછી તે જન્મતાં સુધી વચલો કાળ ઊંઘે છે. જન્મ્યા પછી પાછો જાગે છે. ‘પોતે’ કાયમનો છે, એટલે જન્મ-મરણ પોતાને હોય જ નહીં ને ! આ જન્મ-મરણ એ તો અવસ્થાથી છે. માણસ એકનો એક હોય, પણ એને ત્રણ અવસ્થા હોય છે કે નથી હોતી ? બાળપણની બાળ અવસ્થા, પછી યુવાન અવસ્થા અને વૃદ્ધાવસ્થા નથી હોતી ? એ અવસ્થાઓ છે, પણ ‘પોતે’ તો એકનો એક જ છે ને ? એય અવસ્થા શરીરની છે. એવું જન્મ-મરણેય શરીરનું છે, (પુદ્ગલનું છે,) આત્માનું જન્મ-મરણ નથી. તમારું ‘પોતાનું’, ‘સેલ્ફ’નું જન્મ-મરણ નથી.

પ્રશ્નકર્તા : આત્માનો જન્મ નથી તો પુદ્ગલનો જન્મ થાય એની સાથે ને સાથે આત્મા જોડાયેલો જાય, તો એનો જન્મ ન થયો કહેવાય ?

દાદાશ્રી : ના, આત્માનો જન્મ થયો કહેવાય નહીં ને !

પ્રશ્નકર્તા : એ કેવી રીતે ? કારણ કે સાથે ને સાથે જ જોડાયેલો છે.

દાદાશ્રી : એનો સ્વભાવ જ નથી, પોતે અજન્મા સ્વભાવનો છે. આ એને પુદ્ગલનો સંયોગ છે, પુદ્ગલના સંયોગમાં ફસાયો છે. એ વિયોગ થઈ જાય તો પોતે મુક્ત જ છે.

પ્રશ્નકર્તા : હા, વિયોગ થઈ જાય એટલે મુક્ત થઈ ગયો. પણ જ્યાં સુધી ફસાયેલો છે ત્યાં સુધી પુદ્ગલની સાથે એનો જન્મ થયા કરે ને ?

દાદાશ્રી : એનો જન્મ થાય નહીં. જન્મ તો દેહનો જ કહેવાય ને મરેય દેહ. આત્મા મરી ગયો એમ કોઈ કહેતું નથી ને ? દેહ મરી જાય છે ને જન્મેય છે તે દેહ. પણ આત્માની અવસ્થા છે અત્યારે, સંસારી અવસ્થા.

પ્રશ્નકર્તા : તો મૃત્યુ જેવી વસ્તુ છે ખરી ?

દાદાશ્રી : મૃત્યુ તો આ જે જન્મેલો છે, તેનું મૃત્યુ થયું. જે જન્મતો જ નથી એનું મૃત્યુય કેવું ? એટલે આત્મા અજન્મા-અમર છે. અને મૃત્યુ તો આ દેહ જન્મ્યો, માટે એ મરી જવાનો.

અહંકારને છે મૃત્યુનો ભય

આ જન્મ-મરણ આત્માના નથી. આત્મા પરમેનન્ટ વસ્તુ છે. આ જન્મ-મરણ ઈગોઈઝમ (અહંકાર)ના છે. ઈગોઈઝમ જન્મ પામે છે અને ઈગોઈઝમ મરણ પામે છે. ખરી રીતે આત્મા પોતે મરતો જ નથી. અહંકાર જ જન્મે છે અને અહંકાર જ મરે છે.

પ્રશ્નકર્તા : પણ આવાગમનનો ફેરો કોને છે ?

દાદાશ્રી : જે અહંકાર છે ને, તેને આવાગમન છે. આત્મા તો તેની તે જ દશામાં છે. અહંકાર પછી બંધ થઈ જાય છે, એટલે એનો ફેરો બંધ થઈ જાય.

પ્રશ્નકર્તા : તો મૃત્યુનો ભય કેમ રહે છે બધાને ?

દાદાશ્રી : મૃત્યુનો ભય તો અહંકારને રહે છે, આત્માને કશું નથી. અહંકારને ભય રહે છે કે હું મરી જઈશ, હું મરી જઈશ.

(પા.૬)

જન્મ-મરણ છે અવસ્થા માત્ર

આ મૃત્યુ અને જન્મ, બે ભ્રાંતિથી દેખાય છે. એ માને જ છે, દેખાતું નથી. માને જ છે કે આ મારું મૃત્યુ થયું અને આ મારો જન્મ થયો, આ મારું લગ્ન થયું. ખરેખર હકીકતમાં તો એવું નથી. હકીકતમાં એ પોતે આત્મારૂપ જ છે, પણ એને આંટી પડી ગઈ છે કે આ હું છું.

વસ્તુ ઉત્પન્ન થતી નથી અને વિનાશેય થતી નથી. વસ્તુની અવસ્થાઓ વિનાશ થાય છે અને ઉત્પન્ન થાય છે. બાળપણ આવ્યું તે ઘડીએ ઘડપણ ના હોય. જવાની આવી એટલે બાળપણ ના હોય. અવસ્થાઓ બધી બદલાયા કરે. અવસ્થાઓ નિરંતર બદલાયા કરે પણ તે વસ્તુ ન હોય, વસ્તુની આ સ્થિતિઓ છે. અને આ જે દેહ થાય છે એ તો ‘આપણી’ ભ્રાંતિને લઈને ‘આ દેહ મારો છે’ માનવામાં આવે છે. અને ભ્રાંતિ છૂટી ગઈ એટલે દેહ મળવાના છૂટી જાય, પછી પણ અવસ્થાઓ તો ઉત્પન્ન થવાની. એટલે કે જ્ઞાન અને દર્શનના પર્યાય ઉત્પન્ન થાય. કોઈ વસ્તુ દેખાય એટલે પર્યાય ઉત્પન્ન થાય. એ વસ્તુ જાય એટલે પર્યાય પડી જાય પાછા. એટલે ઉત્પન્ન થવું, વિનાશ થવું એ બધું ચાલ્યા જ કરે છે.

એ બધી અવસ્થાઓ મરે છે. શિયાળો છે તે, મરી જશે કે નહીં મરી જાય ? પછી ઉનાળાનો જન્મ થશે. આમ અવસ્થા ઉત્પન્ન-વિનાશ થયા કરે છે.

એટલે ભાન નથી કે કોનું મરણ થાય છે ને કોનો જન્મ થાય છે ! આ તો બિલીફ જ રોંગ બેઠેલી છે. પણ ઘણા કાળે આગળ વધતાં વધતાં ‘જ્ઞાની પુરુષ’ મળે તો ભાન થાય કે જન્મ-મરણ એ તો અવસ્થા છે !

જીવે અને મરે એ જીવ ને અમરપદ પ્રાપ્ત કરે એ આત્મા. આત્મા એ ‘સેલ્ફ’ છે ને જીવ ‘રિલેટિવ સેલ્ફ’ છે. જીવ તો અવસ્થા છે.

આત્મા જોડે જાય સૂક્ષ્મ દેહ

પ્રશ્નકર્તા : શરીર નાશ પામે છે ત્યારે આત્મા ક્યાં જાય છે ?

દાદાશ્રી : એવું છે ને, આત્મા ‘ઈટર્નલ’ છે, ‘પરમેનન્ટ’ છે, કાયમનો છે. એને ક્યાંય જવાનું-આવવાનું હોતું જ નથી. અને આ શરીર નાશ થાય છે ત્યારે આત્માને ક્યાં જવાનું એ એના પોતાના અધિકારમાં નથી. એય ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’ના તાબામાં છે. એટલે જ્યાં ‘એવિડન્સ’ લઈ જાય ત્યાં એને જવાનું. ‘પરમેનન્ટ’ વસ્તુ આની મહીં આત્મા એકલી જ છે, બીજું બધું ‘ટેમ્પરરી’ છે. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધું જ ‘ટેમ્પરરી’ છે. અને આત્મા તો એવો છે, કે એ આ શરીરથી બિલકુલ જુદો છે. જેમ આ કપડું ને મારો દેહ જુદાં છે ને ? એટલા બધા દેહ ને આત્મા જુદા છે, તદ્દન જુદા છે.

પ્રશ્નકર્તા : મરણ પછી આત્માની કેવી સ્થિતિ હોય છે ?

દાદાશ્રી : અત્યારે છે એવી ને એવી જ સ્થિતિ હોય છે. એની સ્થિતિમાં કંઈ ફેર પડવાનો નથી. ફક્ત અહીંથી મરે ત્યારે આ સ્થૂળ દેહ છોડી દે છે, બીજું કશું છોડતો-કરતો નથી. બીજા સંયોગો જોડે જ લઈ જાય છે. બીજા કયા સંયોગ ? ત્યારે કહે, ‘કર્મો બાંધ્યા છે ને તે, પછી ક્રોધ-માન-માયા-લોભ અને સૂક્ષ્મ શરીર, એ બધું જોડે જ જવાનું. આ સ્થૂળ દેહ એકલો અહીં પડી રહે છે. આ (દેહ રૂપી) કપડું નકામું થયું એટલે છોડી દે છે.

પ્રશ્નકર્તા : અને બીજો દેહ ધારણ કરે છે ?

દાદાશ્રી : હા, બીજું કપડું (દેહ) બદલે છે ફક્ત, બીજો કશો ફેરફાર થતો નથી.

પ્રશ્નકર્તા : મરતી વખતે આત્મા શરીરના જે હોલ (કાણાં) છે તેમાંથી નીકળે છે, તો પ્રશ્ન

(પા.૭)

થાય છે કે આત્મા અરૂપી છે, રૂપી નથી તો એને હોલની જરૂર શું ? એને હોલની જરૂર નહીં ને ?

દાદાશ્રી : આત્મા એકલો નથી હોતો ને ! આત્મા (એકલો) હોય તો એને જરૂર નથી. આત્મા જોડે સૂક્ષ્મ દેહ હોય છે અને કારણ દેહ-કૉઝલ બૉડી હોય છે. એ બે બૉડી (દેહ) એને હોલની જરૂર પડે છે. હોલ વગર એ નીકળી ના શકે.

સ્થૂળ - સૂક્ષ્મ - કારણ દેહના રહસ્યો

પ્રશ્નકર્તા : આ મડદું છે, એને ચિતા ઉપર મૂક્યું, તે ઘડીએ સ્થૂળ બૉડી છે એ બળી જાય ને સૂક્ષ્મ બૉડી તો તરત ચાલી જવાનું ને ?

દાદાશ્રી : પરમાણુ બળે જ નહીં ને ! એ પરમાણુ એટલા બધા સૂક્ષ્મ છે અને આ અગ્નિ છે તે સ્થૂળ છે. એટલે પરમાણુને કશી અસર ના કરી શકે. ત્રણેવ શરીર પુદ્ગલ છે. (૧) સ્થૂળ દેહ, (૨) સૂક્ષ્મ દેહ, (૩) કારણ દેહ. બધા જ ગુના સૂક્ષ્મ દેહના ગુના છે. તેનાથી કારણ દેહ પરમાણુ ખેંચે છે. આ સ્થૂળ દેહના પરમાણુ બળવા માટે આવ્યા છે, સૂક્ષ્મ દેહ બળવા માટે નથી આવ્યો. તેનાથી કારણ દેહ ઉત્પન્ન થાય, તેથી કાર્યો ઉત્પન્ન થાય. કારણ દેહના પરમાણુ એટલા બધા સૂક્ષ્મ છે કે આપણા શરીર જેવો આકાર છે. પણ જે યોનિમાં જાય ને, ત્યારે મા અને બાપના પરમાણુ ભેગા થાય, પછી છે તે એ પરમાણુ જે કારણ દેહના સૂક્ષ્મ હતા ને, તે સ્થૂળ થયા કરે. કાર્ય દેહ વિકાસ થાય પછી વધ્યા કરે.

સ્થૂળમાંથી સૂક્ષ્મ થાય, પછી સૂક્ષ્મમાંથી સ્થૂળ થવાના. પછી પાછી હતી તેની તે જ ઘટમાળ.

પ્રશ્નકર્તા : કારણ દેહના પરમાણુ શરીરમાં ક્યાં હોય ?

દાદાશ્રી : કારણ દેહ તો આખા શરીરમાં ભરેલો હોય, તે પરમાણુ રૂપે હોય. એ પરમાણુમાંથી પછી કાર્ય દેહ બંધાય. આ પરમાણુ સૂક્ષ્મ રીતે હોય, પછી આવતે ભવ ઈફેક્ટિવ બૉડી બંધાય.

કારણના જ કાર્ય થાય. કારણ દેહ વડના બીજ જેવો છે. એ બીજમાં પેલો આખો વડ હોય એવી રીતે કારણ દેહ આ દેહમાં છે.

પ્રશ્નકર્તા : તો સૂક્ષ્મ દેહમાં આત્મા છૂટો છે કે બંધાયેલો છે ?

દાદાશ્રી : છૂટો જ છે, બંધાયેલો નથી. વ્યવહાર આત્મા બંધાયેલો છે અને ખરેખરો આત્મા બંધાયેલો નથી. વ્યવહારમાં તમે ઉપયોગમાં લો છો એ આત્મા બંધાયેલો છે.

પ્રશ્નકર્તા : આ જે જન્મ લે છે ફરીથી, એ સૂક્ષ્મ દેહ લે છે ને ?

દાદાશ્રી : હા, એટલે આપણે આ અહંકાર લે છે એમ કહો ને ! સૂક્ષ્મ દેહને તો ઓળખતા નથી, કોઈ દહાડો સૂક્ષ્મ દેહ જોયો નથી. સૂક્ષ્મ દેહ શબ્દ બોલતાં શીખેલા એ તો ચોપડીમાં વાંચીને. એટલે અહંકાર જ જન્મ લે છે, એમ કહો ને ! અહંકારને ઓળખો કે ના ઓળખો ? અહંકાર જ દેહ ધારણ કરે છે ફરી ફરી. એક વ્યવહાર આત્મા છે અને એક ખરો આત્મા છે. ખરો આત્મા બંધાયેલો નથી, એ ચોખ્ખો જ છે.

એટલે અહંકારની જ ભાંજગડ છે આ. અહંકાર જતો રહે તો મોક્ષ થઈ જાય. બસ, આટલી ટૂંકી વાત સમજણ પડશે ને ?

સૂક્ષ્મ દેહ એ જે કહો છો તે, એ જ બીજા અવતારમાં જાય છે. એ તો પુરાવો આપણને સમજણ પડે ને ? બાકી સૂક્ષ્મને તો શી રીતે ઓળખો ? સૂક્ષ્મ વસ્તુ જુદી છે, એ તો ‘જ્ઞાની’ઓ જાણે. આ તો આપણા લોકો ચોપડીમાં વાંચીને ‘સૂક્ષ્મ દેહ, સૂક્ષ્મ દેહ’ બોલે. બાકી સ્થૂળને જ ઓળખતો નથી, તે સૂક્ષ્મને શી રીતે ઓળખે ?

(પા.૮)

મૃત્યુવખતે કુદરતના ‘એડજસ્ટમેન્ટ્સ’

પ્રશ્નકર્તા : મૃત્યુ વખતે એક દેહ છોડતો હોય અને એ બીજા દેહમાં જતા પહેલાં ક્યાં, કેટલો વખત અને કેવી રીતે રહે છે ? બીજા દેહમાં જતા દરેક જીવને કેટલો વખત લાગે છે ?

દાદાશ્રી : એનો સમય જ નથી લાગતો બિલકુલેય. અહીં દેહમાં પણ હોય છે અને ત્યાં યોનિમાં શરૂ (થતો) હોય છે. મરનારો અહીં વડોદરામાં અને યોનિ ત્યાં દિલ્હીમાં હોય, તો એ યોનિમાં પણ હોય છે અને અહીં આ દેહમાં પણ હોય છે. એટલે આમાં ટાઈમ જ નથી (લાગતો). દેહ વગર સહેજ વાર જુદો રહી શકે નહીં.

પ્રશ્નકર્તા : એટલે આ દેહ છોડવાનો અને બીજો દેહ ગ્રહણ કરવાનો, એ બે વચ્ચે આમ કેટલો સમય લાગે ?

દાદાશ્રી : કશો જ સમય નહીં. અહીંયાં પણ હોય, આ દેહમાંથી હજુ નીકળતો હોય અહીંથી અને ત્યાં યોનિમાં પણ હાજર હોય. કારણ કે આ ટાઈમિંગ છે, વીર્ય અને રજનો સંયોગ હોય તે ઘડીએ. અહીંથી દેહ છૂટવાનો હોય, ત્યાં પેલો સંયોગ હોય. એ બધું ભેગું થાય ત્યારે અહીંથી જાય, નહિ તો એ અહીંથી જાય જ નહિ. કારણ કે અહીંથી જાય તો એ ત્યાં ખાય શું ? ત્યાં યોનિમાં ગયો પણ ખોરાક ખાય શું ? પુરુષનું વીર્ય અને માતાનું રજ એ બે જ હોય, એ આખુંય જતાંની સાથે જ ભૂખનો માર્યો ખાઈ જાય છે. અને ખાઈને પછી પીંડ બંધાય છે. બોલો હવે, આ બધું સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ (વૈજ્ઞાનિક સાંયોગિક પુરાવાઓ) છે ને ?

પ્રશ્નકર્તા : પાછી બીજે ઠેકાણે એન્ટ્રી પણ હોય એની, બરોબર ? એટલે બીજી જગ્યાએ તરત જ એ બેસી જ ગયો હોય એમ ?

દાદાશ્રી : એ અહીંથી છૂટ્યો ના હોય અને વડોદરામાં જન્મવાનો હોય, તો ત્યાં યોનિમાં એણે પ્રવેશ કરેલો હોય. અહીંથી દેહમાંય છૂટ્યો ના હોય તોય એટલો એ લાંબો થઈ શકે છે. એટલે અહીંથી પૂરો છૂટે ત્યારે ત્યાં યોનિ પ્રવેશ થઈ જાય એનો. યોનિ પ્રવેશ થાય, ત્યારે સંજોગો બધા મળી આવે. એનો યોનિ પ્રવેશ થતા પહેલા સંજોગો કેવા મળે ? બાપનું વીર્ય અને માનું રજ, બે ભેગા થાય અને આ ત્યાં જાય, તે પેલું બેઉ આવે ને, તે બધું જ છે તે, જેમ લોખંડનો ગોળો ગરમ ગરમ હોય ને, લાલ લાલ, એને પાણી રેડીએ તો નીચે પડે પાણી ? લાલ લાલ ગોળો હોય એની ઉપર પાણી ટપક ટપક રેડીએ...

પ્રશ્નકર્તા : તો એ પાણી નીચે ન પડે. એ તો એની વરાળ થઈ જાય ને !

દાદાશ્રી : ગોળો બધો ચૂસીને થોડીકવારમાં એ થઈ જાય. ત્યારે ગોળામાંથી પેલી વરાળ નીકળી જાય છે. આ માતાનું રજ, પિતાનું વીર્ય ને એ બધું પડે છે, તે બધું ખોરાકમાં ખઈ જાય છે આખુંય અને તરત જ એનો પીંડ બંધાય છે. અને પછી શરૂઆત થાય છે પીંડની. પણ પેલું ભેગું થવાનું હોય તો અહીંથી ખસે, નહીં તો ખસે નહીં. અહીંથી દેહ છોડે ક્યારે ?

પ્રશ્નકર્તા : એની પૂર્વ તૈયારી પાછી ત્યાં થઈ ગઈ હોય, એટલે પછી આ જગ્યા ખાલી કરે.

દાદાશ્રી : હા. એટલે આ બધું સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. અને કોઈ જાતની ચિંતા-વરીઝ કરવાની નથી. આગળ આગળ બધી તૈયારી (હોય) જ.

સંકોચ-વિકાસ ભાજનના ગુણે બીજે જન્મે

દરેક આત્મા ત્યાં યોનિ તૈયાર થઈ ગઈ હોય, ત્યાં રહેઠાણ તૈયાર થઈ ગયું હોય, ખોલી

(પા.૯)

તૈયાર થઈ ગઈ હોય ને, કબજો મળી જાય એવો હોય, તે દહાડે જ અહીંથી એ નીકળે. તે અહીંથી નીકળે ને ત્યાં પહોંચે. કેટલાક અહીં પણ હોય ને ત્યાં પણ હોય, એટલા બધા લાંબા થાય. કારણ કે આત્મા સંકોચ-વિકાસવાળો છે. એટલે ત્યાંય ગયો હોય જીવ અને અહીંયાય જીવ હોય. અહીં જતો હોય, ત્યાં આગળ આવતો હોય.

પ્રશ્નકર્તા : દેહ છૂટે તે વખતે એક છેડો અહીંયાં હોય ને બીજો છેડો પંજાબ હોય એવું કહે છે, એ કઈ રીતે એ સમજાવો.

દાદાશ્રી : આત્મા સંકોચ-વિકાસનું ભાજન છે, એટલે ગમે એટલો લાંબો થાય. તે જ્યાં ઋણાનુબંધ હોય, ત્યાં જવું પડે ને ! ત્યારે અહીંથી કંઈ ઓછો પગે ચાલીને જવાનો છે ? એને પગ ને આ સ્થૂળ શરીર છે જ નહીં ને !

પ્રશ્નકર્તા : તો બે જગ્યાએ રહી શકે ?

દાદાશ્રી : હા, અહીંથી જ્યાં જવાનું હોય ત્યાં સુધી એટલો ખેંચાય. પછી ત્યાં મહીં પેસવાની શરૂઆત થઈ હોય અને અહીંથી બહાર નીકળતો જતો હોય. જેમ સાપ અહીં દરમાંથી નીકળતો હોય તો એક બાજુ બહારેય હોય ને બીજો ભાગ અંદરેય હોય, એના જેવી વાત છે આ.

અહંકારની સહી પછી મરણ

પ્રશ્નકર્તા : દાદા, આમાં આમ દેહનું આયુષ્યકર્મ તો હોય જ છે ને ?

દાદાશ્રી : સંસારમાં બધી ચીજો આયુષ્યવાળી છે અને ‘આપણે’ આયુષ્ય વગરના, એ બેનો મેળ શી રીતે પડે ? આયુષ્યવાળા જોડે સોબત કરીએ એટલે આપણેય આયુષ્યવાળા થવું પડે ! તેનો આ બધો ફજેતો થયો છે !

પ્રશ્નકર્તા : આયુષ્યકર્મ જે બંધાયેલું હોય એટલે એક સહી તો થઈ જ ગઈ છે ને ? પૂર્વે સહી થયેલી હોય છે ને ?

દાદાશ્રી : તે શું ?

પ્રશ્નકર્તા : એટલે મરણ તો ડિસાઈડેડ થઈ જ ગયું ને ?

દાદાશ્રી : તોયે સહી વગર કાયદો જ નહીં ને !

પ્રશ્નકર્તા : મરણ વખતે મન સહી કરી આપે ત્યારે મરણ થાય ને ?

દાદાશ્રી : મન સહી ના કરે, અહંકાર કરે. અહંકાર સહી કરી આપે ત્યાર પછી નિયમરાજ તેડવા આવે, નહીં તો નિયમરાજેય તેડવા ના આવે. કોઈ માલિક નહીં. આપણે ઉપરી, તે તું કોણ લેવા આવનાર ?

પરસત્તામાં લોકો સહીઓ કરી આપે છે, તેથી જ આખો વખત ફફડાટમાં રહ્યા કરે છે.

ખરી રીતે ‘પોતે’ મરતો જ નથી. અહંકાર જ મરે છે અને અહંકાર જ જન્મે છે. જ્યાં સુધી અહંકાર સહી ના કરી આપે ત્યાં સુધી મરણ આવી જ ના શકે. પણ અક્કરમી સહી કરી આપ્યા વગર રહે જ નહીં. પથારીમાં રિબાય કે બહુ દુઃખ આવી પડે ત્યારે સહી કરી જ આપે કે આના કરતા તો મરી ગયા હોય તો સારું. તે સહી થઈ જ જાય.

જવાની કોઈનેય ઈચ્છા નથી હોતી. પણ કુદરતનો નિયમ એવો છે કે કોઈ પણ માણસને અહીંથી લઈ જવાય નહીં, મરનારની સહી વગર એને અહીંથી લઈ જવાય નહીં. આ જેટલા જીવ મરે છે ને, તે બધા સહીપૂર્વક મરે છે.

આયુષ્યબંધ કાયદેસર

પ્રશ્નકર્તા : દાદા, આયુષ્યબંધ કહેવાય છે એ

(પા.૧૦)

શું છે ? આયુષ્યબંધ પડે પછી જ આગલા ભવનો અવતાર નક્કી થાય છે એમ કહ્યું છે.

દાદાશ્રી : આયુષ્યબંધ તો એવું છે ને, કે એક માણસ એક્યાસી વર્ષ જીવવાનો હોય એમ માનો ને, સપોઝ. તો ચોપન વર્ષે એનું પહેલામાં પહેલું આયુષ્ય બંધાય. ત્યાં સુધી રખડપાટમાં, તોફાનમાં કાઢે તોયે એનો કોઈ ધણીધોરી નથી. પણ સરવૈયું આવશે ચોપન વર્ષે, કે અત્યાર સુધી ભાઈએ શું કર્યું ? ચોપન વર્ષે આવ્યા, સરવૈયું આવ્યું, અને તે ઘડીએ કંઈ માંદગી આવીને ઊભી રહેશે ને આયુષ્ય પડશે. માંદગી નહીં હોય તોયે આયુષ્ય પડશે. આયુષ્યબંધ થઈ જાય. હવે તે વખતે જાનવરનું આયુષ્ય બંધાયું. કારણ કે બધા ખરાબ કામ, જવાનીમાં ગમે તેવા કર્મ કરેલા, આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરેલા. એટલે ચોપન વર્ષે આ થયું, પછી રહ્યા સત્યાવીસ વર્ષ. પછી અઢાર વર્ષ ગયા, તે ફરી બંધાય. એટલે બોતેર વર્ષે ફરી બંધાય. ત્યારે પેલું જે આયુષ્ય છે ને, તે અઢાર વર્ષમાં છે તે મારી જોડે (આ સત્સંગમાં) આવતો થયો, એટલે પેલું આયુષ્ય ઊડી જઈ અને દેવગતિનું બંધાય. પછી બોતેર વર્ષ પછી નવ વર્ષ રહ્યા. તે છ વર્ષ ગયા પછી ઈઠ્યોતેરમે વર્ષે ફરી બંધાય. ત્રીજી વખત, થર્ડ ટાઈમ ઈઠ્યોતેરમે વર્ષે ત્યારે દેવગતિ ક્યાંયે ચાલી જાય ને ફરી મનુષ્ય ગતિનું ઉત્પન્ન થાય. જે ઉલ્લાસભેર પરિણામ હતા, તે મંદ પડ્યા. શરૂ શરૂમાં બહુ ઉલ્લાસમાં હોય ને ? તમારે કેવા હતા ?

પ્રશ્નકર્તા : એવા જ છે.

દાદાશ્રી : તે સારો આયુષ્યબંધ થઈ જાય. હવે ત્રણ વર્ષ રહ્યા ને ? એંસીમે વર્ષે ચોથું આયુષ્ય બંધાય. તે ઘડીએ એવું ને એવું નજીકનું ને નજીકનું હોય. પછી એક્યાસીમું વર્ષ, છેલ્લું વર્ષ, તે એના એંસી વર્ષ ને આઠ મહિના થયા કે પાછું ફરી બંધાય. હવે ચાર મહિના રહ્યા સિલકમાં, એકસો વીસ દહાડા.

પછી ચાલીસ દિવસ બાકી રહ્યા અને ફરી બંધાય. પછી સત્યાવીસ દિવસ ગયા પછી ફરી બંધાય. એમ કરતા કરતા છેલ્લે દહાડે (આયુષ્યબંધ) ચઢ-ઊતર, ચઢ-ઊતર, બંધાય ને (છેદાય,) બંધાય ને છેદાય, એમ થયા કરે. છેલ્લા એક કલાકમાં તો પાંચ-સાત વખત આયુષ્યબંધ થઈ જાય.

પ્રશ્નકર્તા : તો પછી એ આપણને ખબર કેમ પડે ?

દાદાશ્રી : ખબર કેમ ના પડે તે ? જેમ ચોપડાનું સરવૈયું કાઢતા જેને આવડે છે, આ સરવૈયું ના આવડે, કે આટલા વર્ષ પછી હું કોઈ ખરાબ ક્રિયામાં પડ્યો નથી ?

પ્રશ્નકર્તા : પણ આ જે છેલ્લામાં પડે, છેલ્લામાં ?

દાદાશ્રી : એ તો બહુ સરસ પડે.

પ્રશ્નકર્તા : પણ આ બધું પડ્યું હોય, એનુંય કંઈક એમાં સરવૈયું આવે ને ?

દાદાશ્રી : ત્રીજા ભાગનું આયુષ્ય રહ્યા પછી માણસે ચેતીને ચાલવું જોઈએ કે હવે આવતા ભવના ફોટા પડશે. આયુષ્યનો કાળ બદલી શકાતો નથી પણ ગતિ ફેરફાર થઈ જાય છે. ટિકિટ (ગતિ) ફેરફાર થઈ શકે પણ મરણ ફેરફાર ના થઈ શકે. મરતી વખતે ‘યા મતિઃ સા ગતિઃ’

છેલ્લી ઘડીએ આવે સરવૈયું

પ્રશ્નકર્તા : માણસ જ્યારે છેલ્લી ઘડીએ હોય છે, ત્યારે એને શું શું વિચાર આવે છે ? શું શું દેખાય છે ?

દાદાશ્રી : મરતી વખતે હિસાબ આવવાનો,

(પા.૧૧)

સરવૈયું આવવાનું. આખી જિંદગી જે તમે કર્યું તેનું સરવૈયું મરતી વખતે આવે.

મરતી વખતે આખી જિંદગીનું સરવૈયું વાંચે છે, ચોપડો ના વાંચે. ચોપડો એટલે ખાતાવહી નહીં અને રોજમેળેય નહીં. એ બેઉ વાંચવાના નહીં. એ બેઉ વાંચવામાં તો બહુ ટાઈમ જાય અને આ તો એક કલાકમાં તો પાર લાવી નાખવાનો હોય. આખી જિંદગીનું સરવૈયું છેલ્લા કલાકમાં જોઈ લેવાનું અને એ સરવૈયા પ્રમાણે એનો આગળનો અવતાર થાય.

પેલું આખી જિંદગીનું સરવૈયું આવે, તે શાનું ? ચાર પગવાળો થશે કે છ પગવાળો થશે, તે મહીં ખબર પડે કે બે પગવાળોય થાય. માણસેય થાય કે દેવેય થાય, કહેવાય નહીં. પણ જેવું કર્યું હશે તેવો બદલો મળશે. માટે આપણી પોતાની સંભાળ પહેલી લેવી.

જો આખી જિંદગીમાં ભક્તિનું સરવૈયું સારું હોય, સત્સંગનું સરવૈયું સારું હોય, એ સરવૈયું મોટું હોય તો છેલ્લા કલાકમાં ચિત્ત એમાં ને એમાં વધારે રહ્યા કરે. વિષયોનું સરવૈયું મોટું હોય તો મરતી વખતે એનું ચિત્ત વિષયમાં જ જાય. કોઈને છોડી-છોકરા પર મોહ હોય તો છેલ્લી ઘડીએ ચિત્ત એમનામાં રહ્યા કરે.

એટલે અત્યારે જે કરીએ છીએ, તે મરણ વખતે એક ગુંઠાણું આવીને ઊભું રહે, એની મેળે જ આવીને ઊભું રહે. જે જે આખી જિંદગી કરેલું તેનું સરવૈયું તે વખતે આવીને ઊભું રહે. અત્યારે જે હાજર તે મરણ વખતે હાજર. અત્યારે સંસાર હાજર તો મરણ વખતે સંસાર હાજર; અત્યારે શુદ્ધાત્મા હાજર તો મરણ વખતે શુદ્ધાત્મા હાજર. એટલે મરણ વખતે આખી જિંદગીનું ફળ આવે છે, એને માટે કશું કરવું પડતું નથી. આપણે જાતે નહીં યાદ રાખવાનું, એ તો એની મેળે જ પરિણામ આવે. જેમ અત્યારે પરીક્ષા આપીએ ને પછી રીઝલ્ટ આવે ને, એના જેવું છે.

પ્રશ્નકર્તા : છેલ્લા કલાકમાં જો રૌદ્રધ્યાન થાય તો માણસ બધું ચૂકી જાય ?

દાદાશ્રી : તો તો પછી બધું ખલાસ થઈ ગયું કહેવાય. રૌદ્રધ્યાન તો શું, પણ આર્તધ્યાન થાય તોય ખલાસ થઈ ગયું. ‘મારે હવે પાંચમી છોડી પૈણાવાની રહી ગઈ’ એવું થાય તો એ આર્તધ્યાન થયું કહેવાય. તેનાથી જાનવરમાં જાય.

મનુષ્યપણાની કિંમત ક્યારે આવે છે ? છેલ્લા કલાકમાં. ત્યારે આ રહી જાય છે, તે કરી લઉં, પેલું રહી ગયું, એવું બધું થયા કરે; ત્યારે સમજાય કે મનુષ્યપણાની બહુ કિંમત છે ! માટે છેલ્લા વર્ષોમાં બહુ જાગૃત રહેવું જોઈએ માણસે.

પ્રશ્નકર્તા : ધારો કે આ ભવમાં નેવું વર્ષનું આયુષ્ય છે. ૮૫ વર્ષ સુધી ઊંધા જ ભાવ કર્યા અને પાંચ વર્ષમાં છેલ્લે ‘જ્ઞાન’ મળ્યું તે સારા ભાવ કર્યાં. તે પેલું ૮૫ વર્ષનું ધોવાઈ જાય ?

દાદાશ્રી : છેલ્લા કલાકમાં સારું થયું તે સાચું. આખું સરવૈયું જ કલાકમાં આવે છે. એમાં જો જ્ઞાની પુરુષ ભેગા થઈ જાય તો એનું બધું ભૂલી જાય. એટલે કામ થઈ ગયું એનું તો.

સરવૈયા પ્રમાણે કરારો

પ્રશ્નકર્તા : બધું વ્યવસ્થિત છે, તો આપણો આવતો જન્મ એ પણ નક્કી થઈ ગયો હશે અત્યારે ?

દાદાશ્રી : વ્યવસ્થિત તો તમારે આ ‘જ્ઞાન’ લીધું ને, તે મોમેન્ટથી જ્યાં સુધી આ દેહથી છૂટો ના થાય ત્યાં સુધી આ દેહ સાથેનું વ્યવસ્થિત છે. બીજું આગળના દેહની સાથેનું વ્યવસ્થિત કહ્યું નથી.

(પા.૧૨)

પ્રશ્નકર્તા : તો આવતા ભવનું કેવી રીતે ?

દાદાશ્રી : એ પછી નવું એગ્રીમેન્ટ થાય ત્યારે.

પ્રશ્નકર્તા : પણ એ હમણાંથી બંધાઈ ગયું હશે ?

દાદાશ્રી : એ બંધાઈ ગયેલો હોય પણ રહે નહીં, એ ટકે નહીં. એ બદલાયા કરે. જ્યારે છેલ્લી ઘડીએ બંધાય તે જ છેલ્લો સાચો. એમને બંધાઈ ગયેલો હોય. કેટલા વર્ષ થયા ?

પ્રશ્નકર્તા : પચાસ.

દાદાશ્રી : તો પછી બંધાયેલો હોય. એ વખતે પોણોસો વર્ષ જીવવાનું હોય તો (આયુષ્યબંધ) બંધાઈ ગયેલો હોય. પાછું ફરી જાય બધું. આઠ-દસ વખત ફરે, એક વખત નહીં. પહેલો બળદનો બંધાય, બીજી વખતે દેવનો બંધાઈ જાય, ત્રીજી વખતે માણસનો બંધાય, ચોથી વખત પાછો એ જાનવરનો બંધાય, એવું બધું ફર્યા કરે. આપણે એવું કહ્યું કે પચાસ વર્ષ પછી સારા કાર્ય કરવા. બધી જ બાબતનું ખોટાનું છોડી દેવું, અત્યાર સુધી કરેલું પહેલાંનું તો ઊડી જશે. પચાસ વર્ષ પછી બરોબર જામીને કર્યું, તો ખરેખરનું કામ નીકળી જાય. એને છેલ્લે વખતે ફરતું ફરતું જે રહ્યું એ સાચું. છેલ્લે વખતે સમાધિમરણ થાય. આપણા મહાત્માઓને સમાધિમરણ થાય. કારણ કે પછી જોઈતી બધી ઈચ્છાઓ પૂરી થવા આવી હોય.

પ્રશ્નકર્તા : બીજા ભવમાં જ્ઞાનનો જોગ ખાય એવું બને ખરું ?

દાદાશ્રી : બળ્યું, જોગ નહીં આ જ્ઞાન જોડે જ જવાનું ને ! જ્ઞાન તો એ જોગ શેનો થવાનો ? થયેલો છે તે જોડે રહેશે જ. આ કંઈ બૈરી છે, તે જોડે ના જાય.

પ્રશ્નકર્તા : એટલે ફરી વ્યવસ્થિત રહ્યું જ ને ?

દાદાશ્રી : વ્યવસ્થિત તો બીજા દેહનું શરૂ થશે. આ દેહનો હિસાબ પૂરો થશે.

પ્રશ્નકર્તા : એ બીજા દેહનું વ્યવસ્થિત પાછું જુદું રહેશે ?

દાદાશ્રી : આનું સરવૈયું આવે એ પ્રમાણે કરાર થવાના, પણ જ્ઞાન જાય (ખતમ થાય) નહીં, કારણ કે ‘જ્ઞાન છે એ જ આત્મા છે.’ બીજું કોણ જાય તે ? આ લોકોને ખ્યાલ નથી રહેતો, તેથી આત્મા ને જ્ઞાન જુદી વસ્તુ છે એવું જાણે, પણ ‘જ્ઞાન એ જ આત્મા છે.’

પ્રશ્નકર્તા : અને આ જે પાંચ આજ્ઞારૂપે છે અને આ બીજા બધા આપેલા ટેકાજ્ઞાન છે ને એ બધી સમજણ આપે આપેલી, એ બધી જોડે જ રહેવાની ?

દાદાશ્રી : ત્યાર પછી શું આઘીપાછી થવાની કંઈ ?

પ્રશ્નકર્તા : નહીં થાય ને ?

દાદાશ્રી : આવરણ તો આવે પાછું થોડુંક. પણ પેલો કંઈક બોલે કે સમજાય, તરત ખુલ્લું થઈ જાય.

જ્ઞાનજાગૃતિ કાયમ રહેશે જોડે જ

પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધેલું આવતા જન્મે રહેશે કે ફરી ?

દાદાશ્રી : રહેશે, કોઈ જ્ઞાન જતું ના રહે. અત્યારે જે જ્ઞાનમાં છો તે જ જ્ઞાન જોડે આવવાનું. જે સ્ટાન્ડર્ડમાં છો એ જ સ્ટાન્ડર્ડ તમારે ત્યાં ચાલુ થઈ જવાનું. એટલે આ જ બધું રહેશે. આજે અહીં છીએ અને કાલે છીએ એ બેમાં ફેર નહીં જરાય. ફક્ત આ શરીર બદલાય એટલું જ, બીજી સ્થિતિ તેની તે જ. અને હમણે ચોર-બદમાશ હોય, તેનેય છે તે જે અહીં છે ને,

(પા.૧૩)

તે ત્યાં આગળ બધું એમ ને એમ જ ! એટલે ત્યાં કશું કોઈ લઈ ના લે, આ જ્ઞાન હાજર રહે. ત્યારે તો મોક્ષે જવાય ને ! નહીં તો મોક્ષે કેમ જવાય ? અને ભૂતકાળ તમને યાદ નથી રહેતો, એ તો બહુ ઊંચામાં ઊંચું ! અને ભવિષ્યકાળ છે તે વ્યવસ્થિતના તાબામાં છે. એટલે તમારે વર્તમાનકાળમાં રહેવું.

પ્રશ્નકર્તા : દાદા, જે અત્યારે સમકિત આપો છો, જ્ઞાન આપો છો, તે ઠેઠ મોક્ષે જતાં સુધીનું કાયમ રહેવાનું આ ?

દાદાશ્રી : આ મોક્ષ થઈ જ ગયો, હવે બીજો લેવાનો જ ક્યાં રહ્યો ? અજ્ઞાનથી મુક્તિ પહેલી થાય. પછી કર્મો પૂરાં થઈ રહે, એટલે બીજી મુક્તિ.

પ્રશ્નકર્તા : પણ બીજે ભવે જ્ઞાન લેવું પડે ?

દાદાશ્રી : ના, એ તો આ જ્ઞાન તો જોડે ને જોડે જ હોય. આ જ્ઞાન જે પ્રાપ્ત થયું છે ને, તેનું તે જ જ્ઞાન જોડે ને જોડે આવે.

જે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન બંધ થયું એ જ પરિણામ તમને તીર્થંકર પાસે બેસાડશે. સ્વભાવ બદલાયા પછી અહીં કોની જોડે રહેવા દે ? મા-બાપ ક્યાંથી લાવે ? તીર્થંકર જન્મે તો તે રાજાને ઘેર જન્મે, સારે ઘેર. પણ ભાઈબંધો તો, આજુબાજુમાં પટેલ-વાણિયા હોય તે જ ભાઈબંધ હોય ને ? ના. તે પહેલાં દેવલોકો ઉતરી ગયા હોય. એ દેવલોકો મનુષ્ય રૂપમાં આવીને એમની જોડે રમે. નહીં તો પેલા સંસ્કાર ખોટા પડી જાય. એટલે બધું સંજોગો પ્રમાણે મળી આવે. તમારી તૈયારી હોય તો બધા સંજોગો તૈયાર છે. તમે વાંકા તો બધા વાંકા. તમે સીધા થયા તો દુષમકાળ નડતો નથી. તમને જ્ઞાની પુરુષ મળ્યા, આવું જ્ઞાન મળ્યું. ભલે ને આવા સાત દુષમકાળ હોય, આપણને શું વાંધો ? આપણે આપણા જ્ઞાનમાં હોઈએ. આર્તધ્યાન-રૌદ્રધ્યાન થતું નથી. કોઈનું ખરાબ થાય એવા ભાવ ઉત્પન્ન થાય નહીં ક્યારેય.

એટલે ધર્મધ્યાનનું ફળ એક અવતાર થાય પાછો. કોઈને બે થાય, કોઈને એક થાય અને કોઈને આ જ્ઞાન મળવાથી, (વધારે અવતાર...) લાંબુંયે લંબાય પણ એ છુટકારો છે એ નક્કી. કારણ કે કર્મ બંધાતાં અટકી ગયા.

પ્રશ્નકર્તા : વચ્ચે અમુક અવતારો પછી જો છુટકારો થવાનો હોય, તો પછી આગલા અવતારોમાં પણ આ જ સ્થિતિ ચાલુ રહે કે ?

દાદાશ્રી : સ્થિતિ તો, અહીં ૯૯ સુધી પહોંચ્યા હોય, તો ૯૯થી ફરી તમારે ચાલુ થાય. આ ભાઈને ૮૧ સુધી હોય તો ૮૧થી ચાલુ થાય.

પ્રશ્નકર્તા : એટલે આવતા અવતારમાં પણ કર્મ ના બંધાય, એ સ્થિતિ ચાલુ જ રહે ?

દાદાશ્રી : બધી સ્થિતિ ચાલુ રહે. જે જ્ઞાન તમે લઈને આવ્યા ને, તે તો અહીં છેલ્લી સ્થિતિ વખતે, મરણ સ્થિતિ વખતે હાજર રહેવાનું અને પછી આવતે ભવ ત્યાં હાજર રહેવાનું.

પ્રશ્નકર્તા : એ જે બાકી એક-બે જન્મો રહ્યા, એની અંદર આ જાગૃતિ ને આ માર્ગદર્શન...

દાદાશ્રી : એ તો જોડે રહેવાનું બધું. આ જાગૃતિ, આ જ્ઞાન બધું અહીંથી જેવું છૂટ્યું ને, એવું જ ત્યાં હાજર થઈ જશે. નાની ઉંમરમાંથી જ લોકોને અજાયબી થાય એવું થશે. તેથી કૃપાળુદેવ એમની નાની ઉંમરમાં છે તે આ લખી શકતા’તા ને બધું. જો જ્ઞાન હાજર ના થતું હોય તો નાની ઉંમરમાં કરી શકે નહીં.

પ્રશ્નકર્તા : અત્યારે આ અવતારમાં અક્રમ મળ્યું છે અને પછીના અવતારમાં પછી ક્રમિકમાં જવું પડશે કે અક્રમ જ રહેશે ?

(પા.૧૪)

દાદાશ્રી : પછી એવું રહ્યું જ નહીં ને ! આત્મા પ્રાપ્ત થઈ ગયો એટલે થઈ રહ્યું, ખલાસ ! પછી ગમે તે, બધું નિકાલી છે. અક્રમ મળો કે ક્રમ મળો, એને આપણે લેવા-દેવા નથી. આપણું આ જ્ઞાન હાજર ને હાજર રહેશે, ઠેઠ એક-બે અવતાર સુધી.

પ્રશ્નકર્તા : દાદા, આ ભવમાં તો તમારું જ્ઞાન મળ્યું અને આજ્ઞા પણ મળી, તો હવે આવતા ભવમાં એ આજ્ઞા આપશે કોઈ કે આપણે લઈને જ જઈશું કે શું થશે ?

દાદાશ્રી : આ આજ્ઞા આ ભવ પૂરતી જ છે. પછી આગળ આજ્ઞા તમારા જીવનમાં વણાઈ ગયેલી હશે, તમારે પાળવી નહીં પડે. આ ભવ પૂરતી તમારે પાળવી પડશે. સારી રીતે પાળશો તો આવતા ભવમાં તમારે વણાઈ ગયેલી હશે. એ તમારું જીવન જ આજ્ઞાપૂર્વક હશે !

આજ્ઞાથી રહો નિર્ભય પદે

આ નિઃશંક થયા, હવે આજ્ઞામાં રહો. ઘૈડપણ કાઢી નાખો. આ દેહ જતો રહે તો ભલે જતો રહે, કાન કાપી લે તો કાપી લે, પુદ્ગલ નાખી દેવાનું જ છે. પુદ્ગલ પારકું છે. પારકી વસ્તુ આપણી પાસે રહેવાની નથી. એ તો એનો ટાઈમ હશે, વ્યવસ્થિતનો ટાઈમ હશે, તે દહાડો જ્યારે હો ત્યારે લઈ લે. ભય રાખવાનો નહીં. આપણે કહીએ, લઈ લો. તેથી કોઈ લેનારું નવરું નથી. પણ તે આપણામાં નિર્ભયતા રાખો, જે થવું હોય તે થાવ, કહીએ.

હવે નિરાંત થઈ ગઈ. હવે તમે જુદા, ચંદુભાઈ જુદા. નનામી તો નામવાળાની જશે. આપણે નામી નહીં, અનામી છીએ. અનામીની નનામી ના હોય,નામવાળાની નનામી. આ તો વિજ્ઞાન છે ! બે જ દહાડામાં એડજસ્ટ થઈ જાય એવું છે.

વ્યવસ્થિત સમજાતા નિર્ભયતા

પ્રશ્નકર્તા : માણસને ખબર પડે કે આ ટાઈમે ને આ દિવસે હું મરી જવાનો છું ? એ ક્યારે ખબર પડે ?

દાદાશ્રી : ખબર તો એ જમાનો ગયો બધો. એ અંદર પ્યોરિટી હૃદયની હોય ને, ત્યારે ખબર પડી જાય પહેલા. અને દુઃખ ના હોય ત્યારે. પહેલા એવું થતું’તું ઘણું, સો વર્ષ પહેલા.

બાકી જે નિષ્પક્ષપાતી હોય તેને તો બધી ખબર પડી જાય. બિસ્તરા-પોટલાં બાંધતા હોય તો ના ખબર પડે કે આ જવાની તૈયારી કરે છે ! મહીં બિસ્તરા-પોટલાં બંધાતા હોય તે આપણને દેખાય હઉ તોય મહીં જોઈએ નહીં, તો આપણી જ ભૂલ છે ને ? અને પહેલાં તો કેટલાક માણસો એવા સરળકર્મી હતા કે તે કહેતાય ખરા કે ‘પાંચ દહાડા પછી અગિયારસને દહાડે મારો છુટકારો છે,’ અને તે પ્રમાણે બનતુંય ખરું !

પ્રશ્નકર્તા : મૃત્યુ આવવાનું હોય એ ખબર પડી જાય કે હવે મૃત્યુ આવશે ત્રણ દિવસમાં ?

દાદાશ્રી : એ ખબર પડે કે નાયે પડે. જો ખબર પડે કે કાલે મરી જવાનું છે, તો આજે જ ભડકીને મરી જાય, એકાદ-બે કલાકમાં. એટલે આ મનુષ્યોને મૃત્યુની નથી ખબર પડતી, એ જ સારું છે.

પ્રશ્નકર્તા : મરણના ભય સાથે મરણ વખતે જે દુઃખ થાય છે, એનો ડર લાગે છે.

દાદાશ્રી : દુઃખ શું ?

પ્રશ્નકર્તા : શારીરિક વ્યાધિ.

દાદાશ્રી : એમાં બીક શું ? ‘વ્યવસ્થિત’ છે ને ! ‘વ્યવસ્થિત’માં આંધળા થવાનું હશે તો આંધળું થવાશે ને, પછી એની બીક શું ? ‘વ્યવસ્થિત’

(પા.૧૫)

આપણે ‘એક્સેપ્ટ’ (સ્વીકાર) કર્યું છે, પછી કોઈ દહાડો કશું અડે એવું નથી. કોઈ ભય રાખવા જેવો નથી, નિર્ભય થઈને ફરો. આ સંસારનો એટલો બધો ભો ના રાખવો કે જેથી પરલોક બગડે.

જ્ઞાનથી ટળે વેદનાનો ભય

પ્રશ્નકર્તા : વેદનાનો ભય રહ્યા કરે.

દાદાશ્રી : વેદના થવાની જ નથી ત્યાં વેદનાનો ભય ક્યાંથી થાય ? વેદના તો તેને થાય કે જેને ભય હોય ! જેને ભય નથી, તેને વેદના શી ? આ તો તમારો ‘વણિક માલ’ ભરેલો ને, તે એકદમ પોચો હોય.

તમારે ‘ચંદુભાઈ’ને કહેવાનું કે ‘દાદા’એ કહ્યું છે, ‘વ્યવસ્થિત.’ ‘વ્યવસ્થિત’ કહ્યા પછી ભય શો ?

પ્રશ્નકર્તા : બે દહાડાથી માથું દુખતું હતું, તે જરાય સહન થતું નહોતું.

દાદાશ્રી : ‘મને સહન થતું નથી’ એવું કહ્યું કે એ વળગ્યું ! પણ ‘આપણે’ તો કહીએ, ‘ચંદુભાઈ, બહુ માથું દુઃખે છે ? હું હાથ ફેરવી આપું છું, ઓછું થઈ જશે.’ પણ ‘મને દુઃખ્યું’ કહ્યું કે વળગ્યું ! આ તો બહુ મોટું ભૂત છે !

પ્રશ્નકર્તા : શાતા મીઠી લાગે છે ને અશાતા અળખામણી લાગે છે.

દાદાશ્રી : તે ‘ચંદુભાઈ’ને લાગે છે ને ? ‘ચંદુભાઈ’ને ‘આપણે’ કહીએ કે ડીક્ષનરી (શબ્દકોશ) હવે બદલી નાખો. અશાતા સુખદાયી ને શાતા દુઃખદાયી. સુખ-દુઃખ તો બધું કલ્પિત છે. મારો આ એક શબ્દ ગોઠવી જોજો, ઉપયોગ કરી જોજો. જો તમને જરાય અસર થાય તો કહેજો.

પ્રશ્નકર્તા : કંઈક રસ્તો કાઢવા માટે તો આ પ્રશ્ન પૂછું છું.

દાદાશ્રી : તમારે મને પૂછવું. પછી હું કહી દઉં તે પ્રમાણે કરવું. રસ્તો તો આ જ છે અને માથે તો એવું લેવું જ નહીં કે મને દુઃખે છે. કોઈ કહેશે કે ‘કેમ, તમને શું થયું છે ?’ ત્યારે કહેવું કે ‘પાડોશીને માથું દુઃખે છે, તે હું જાણું છું.’ અને ‘આ’ પાડોશી છે એવી ‘તમને’ ખાતરી થઈ ગઈ છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : તો પછી દુઃખ શા માટે ? પાડોશી રડતો હોય તો આપણે કંઈ રડવા લાગવું ? આપણે તો પાડોશીને છાના રાખવા જોઈએ, કે ‘ભઈ, રડશો નહીં, અમે છીએ તમારી જોડે. ડોન્ટ વરી, ગભરાશો નહીં.’

આ ‘વણિક માલ,’ તે આવતાં પહેલાં ભડકે. આપણે તો ચંદુભાઈને કહેવાનું, કે ‘તમને કશું જ થવાનું નથી.’ મહીં એવો વિચાર આવશે, કે પેલા ભાઈને ચલાતું નથી, તે આપણનેય એવું થઈ જશે તો ? એવા વિચારો આવે તો આપણે કહેવું, ‘ચંદુભાઈ, અમે બેઠા છીએ ને ! કશું જ થવાનું નથી.’ ‘આપણે’ જુદાપણાના વ્યવહારથી બોલો ને ! આ તો સાયન્સ છે. ‘મને થયું’ કહ્યું કે ભૂત વળગે. જગતને તેથી ભૂતાં વળગ્યાં છે ને બધા !

જેટલો વખત દાદા યાદ કરે ને, દર્દ મટતું જાય. ભય વગરના રાખે. કોઈ ભય નહીં, કશું જ નહીં. કેટલો વખત યાદ રહેતું’તું ?

પ્રશ્નકર્તા : લગભગ યાદ રહ્યા જ કરતા’તા, નિરંતર જેવું...

દાદાશ્રી : નિરંતર. જાગૃતકાળ બધોય !

પ્રશ્નકર્તા : હથોડા પડે એટલે કર્મ ખપે ?

દાદાશ્રી : ના, હથોડા પડવાના એટલે આપણને મનમાં એમ ભય નીકળી જાય કે આવું ઓચિંતુ આવશે ત્યારે શું કરીશું ? એ અત્યારથી હથોડા પડ્યાની પ્રેક્ટિસમાં આવી ગયું. એ કહે

(પા.૧૬)

છે, બહુ શાતા વેદનીય હોય ત્યારે તો ઘણું સારું લાગે પણ અશાતા આવશે ત્યારે શું થશે ? તે કશું થવાનું નથી, શું થવાનું છે ?

પ્રશ્નકર્તા : મરણ કાળે વેદનાની એને અસર ન થાય એવી સ્થિતિ થાય ખરી ?

દાદાશ્રી : હા, સમાધિમરણ હોય. અસરની વાત જ ક્યાં રહી, સમાધિમરણ હોય.

પ્રશ્નકર્તા : પણ આ કાળમાં એવું સમાધિમરણ થાય ખરું ?

દાદાશ્રી : ઘણા બધાં થયા છે. અહીં મરતાં પહેલાં રોજ સમાધિ રહેતી હોય, તો પછી મરણ દહાડે બીજું શું હોય ? રોજ સમાધિ રહેતી હોય ને, તો બહાર પક્ષાઘાત થયેલો હોય તોય એ સમાધિમાં હોય. જેને રોજ સમાધિ રહેતી હોય એનું બહારનું વાતાવરણ જુદું હોય, અંદરનું વાતાવરણ જુદું, સાવ તદ્દન જુદું જ હોય.

મમતા છૂટતા સમાધિમરણ

પ્રશ્નકર્તા : એવું સાંભળ્યું છે કે જે વખતે માણસ મરવા પડે છે, એ વખતે એને એક હજાર વીંછીની વેદના થાય, તો તે વખતે આ જ્ઞાન રહે કે ના રહે ?

દાદાશ્રી : આ જ્ઞાન હાજર રહે જ. મરતી વખતે નિરંતર સમાધિ આપશે. અત્યારે સમાધિ આપે, એ જ્ઞાન મરતી વખતે તો હાજર થાય જ.

પ્રશ્નકર્તા : નસો ખેંચાતી હોય, નાડો તૂટતી હોય...

દાદાશ્રી : તેનો વાંધો નહીં. નસો તો કંઈ... પણ બેભાન થઈ જાય ને, તોય એને મહીં છે તે ધ્યાન હોય, શુક્લધ્યાન છોડે નહીં ને ! એક ફેરો ઉત્પન્ન થયેલું પછી છોડે નહીં. અત્યારે જ ચિંતા થવા દેતું નથી ને ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : તો જે ધ્યાન ચિંતા થવા નથી દેતું, એ વર્લ્ડમાં કોઈ દા’ડો બનેલી નહીં એવી વસ્તુ આજ બની છે. તો એ મરતી વખતે તમને છોડતું હશે કે ? ‘હું શુદ્ધાત્મા છું’ એ ભાન રહ્યું કે સમાધિમરણ કહેવાય. પછી દેહને ગમે એટલી પીડા થતી હોય, તેને જોવાનું નહીં. એટલે જાગૃત રહ્યો તે વખતે. મોહ ઓછો થાય એટલે મમતા ઓછી થાય જ. પછી મમતાની ખબર પડે કે ‘આ જે મારું નથી, તેની મમતા કરું છું.’ એટલે મમતા છૂટી જ જાય. એટલે પછી સમાધિમરણ થઈ જ જવાનું છે.

શરીરની પીડા છતાંય સમાધિમરણ

પ્રશ્નકર્તા : સમાધિમરણમાં શરીરની પીડા ના હોય ને ?

દાદાશ્રી : આ શરીરનું ગમે તે થાય, પણ મહીં અંદરની સમાધિ રહે. મહીં એમ ને એમ જ સમાધિ રહ્યા કરશે. આ શરીર તો એનો ભોગવટો છે, શાતા-અશાતા વેદનીયનો ભોગવટો છે. એને તો કશો ફેરફાર થાય નહીં. પણ ભોગવટો આપણને આવે નહીં, આપણે સમાધિમાં હોઈએ.

આ શરીરની પીડા હોય તોય સમાધિમરણ થાય. પક્ષાઘાત થયેલો હોય તોય માણસને સમાધિમરણ થાય. સમાધિમરણ એટલે શું કે છેલ્લો કલાક આ દાદા દેખાવા માંડ્યા અને કાં તો ‘હું શુદ્ધાત્મા છું’ એવું ભાન રહ્યું, એ એનું સરવૈયું આવીને ઊભું રહ્યું.

પ્રશ્નકર્તા : તો એ અવસ્થામાં દુઃખ ના વર્તે ને ?

દાદાશ્રી : સમાધિમરણમાં પોતાને કોઈ જાતનું દુઃખ જ ના હોય. છેલ્લો એક કલાક સમાધિ જ હોય. આપણા અહીં જ્ઞાન લઈને જેટલા માણસો

(પા.૧૭)

અત્યાર સુધીમાં મર્યા છે, એના સમાધિમરણ થયા છે, પુરાવા સહિત.

એટલે આપણા કોઈ મહાત્માઓને વિચાર કરવાની જરૂર જ નહીં. અને તમે તો બહુ જાગૃત માણસ, તમારે તો આવું વિચારવાનુંય ના હોય.

પ્રશ્નકર્તા : દાદા, આપણા મહાત્માઓને જ્યારે મરણ થાય છે, ત્યારે આપણે જાણીએ છીએ કે એને સમાધિમરણ હોય છે. મેં જોયું પણ છે. ઘણા મહાત્માઓની એ પરિસ્થિતિ હોય છે. તો જે સમાધિમરણ પામ્યા હોય તો પછી એને પછી આગલા ભવનું યાદ આવે, જ્યારે બીજો જન્મ લે ત્યારે ?

દાદાશ્રી : હા, વચ્ચે ઉપાધિ ના આવી હોય તો, માના પેટમાં કે બહારેય ઉપાધિ ના આવી હોય ને...

પ્રશ્નકર્તા : તો બને.

દાદાશ્રી : સમાધિમરણનો આશય એવો નથી કે એને દુઃખ પડ્યું નથી. શરીરને દુઃખ પડે અને સમાધિમરણ હોય. સમાધિમરણ એટલે આવતો ભવ બગડે નહીં, આત્મામાં જ રહે એવું ભાન, એ ખ્યાલ રહે. આ ભવમાં દુઃખ પડતું હોય, છતાંય સમાધિમરણ કહેવાય.

કષાયોની નિવૃત્તિ ત્યાં સમાધિ

પ્રશ્નકર્તા : કોઈ વ્યક્તિને સમાધિમરણની ઈચ્છા હોય તો એનો અંતકાળ નજીક આવે છે ત્યારે તેણે કેવા ભાવ કરવા જોઈએ ? અથવા શું કરવું જોઈએ ?

દાદાશ્રી : આપણે ત્યાં લગ્ન આવે છે ત્યારે કેવા ભાવ રાખીએ છીએ ? કોઈ મરણની ચિઠ્ઠી લઈને આવે ત્યારે શું કહીએ આપણે ?

પ્રશ્નકર્તા : આનંદના ભાવ રાખીએ છીએ.

દાદાશ્રી : ના, પેલા અપશુકનના ભાવ આવે તો એને કહેશે, એય... મારે ત્યાં... અહીં નહીં. એવી રીતે સમાધિમરણમાં રહેવું પડે. આત્મા સિવાય બીજી બધી લાલચોને અહીં નહીં. છોડીઓ પૈણ્યા વગરની હોય કે પૈણેલી હોય. બધું વ્યવસ્થિતને તાબે છે. અને બધાના શુદ્ધાત્માને જોઈ, દર્શન કરી અને પોતાના ભાવમાં રહેવું એ સમાધિમરણ. પછી ભલે ને, દેહને પક્ષાઘાત થયો હોય તેનો વાંધો નથી. દેહની પક્ષાઘાત સ્થિતિ હોય તોય પણ સમાધિમરણ થઈ શકે એમ છે.

એટલે ભાવ કેવા કરવા જોઈએ, તે સમજવું જોઈએ આપણે. સમજાયું તમને ? તે ઘડીએ આપણે કોઈની જોડે લઢવાડ કરીએ ? જેની જોડે કાયમનો ઝઘડો હોય, તે ઝઘડાની વાત આપણે પેલો કાઢતો હોય તોય બંધ રાખીએ કે ભઈ, એ... બંધ રાખો. પછી પાણી ના ચડાવી શકાય. લડવાનું પાણી ચઢે નહીં પછી. નહીં ? ચઢતું હોય તો પાડી દેવું પડે, બંધ !

પ્રશ્નકર્તા : પણ દાદા, છેલ્લી ઘડીઓ હોય ત્યારે તો શરીરમાં કંઈ તાકાત હોય જ નહીં, પછી પાણી ચડવાની વાત ક્યાંથી આવી ?

દાદાશ્રી : અરે ! તોય કષાયની તાકાત તો આમ છેલ્લી ઘડીએ બહુ હોય બળી ! કષાયની જ તાકાત છે. આખા જગતમાં જે તાકાત છે ને, એ બધી કષાયની જ તાકાત છે. અકષાયમાં તાકાત ના હોય.

કષાયોની જેટલી નિવૃત્તિ તેટલી સમાધિની પ્રવૃત્તિ. કષાયોની સંપૂર્ણ નિવૃત્તિ ત્યાં સંપૂર્ણ સમાધિ.

મૃત્યુ વખતે આત્માની ગુફામાં

મરણ વખતે આત્માની ગુફામાં જ પેસી જાય તદ્દન, બહાર રહે જ નહીં, ઊભો જ ના રહે ને ! એ એનો મુખ્ય ગુણ છે આ. બહુ મુશ્કેલી

(પા.૧૮)

ચોગરદમની હોય ને, ત્યારે ગુફામાં પેસી જાય. એ મોટામાં મોટો ગુણ છે. અને પેલા બીજા બધાને, જ્ઞાન ના હોય તેને તો ગુફા હોય જ નહીં, તો પછી પેસવું શી રીતે તે ?

ચંદુભાઈથી જુદા રહેવું જોઈએ આપણે. ચંદુભાઈ જુદા ને આપણે જુદા. આ તો સ્થિર રાખે એવું છે આપણું વિજ્ઞાન. બહુ મુશ્કેલી આવે ને, ત્યારે ગુફામાં પેસી જાય એ.

પ્રશ્નકર્તા : પણ દાદા, દરેકને પોતપોતાના ભયની લિમિટ હોય ને ! કોઈ થોડા ભયમાં પેસી જાય અને કોઈ વધારે ભયમાં પેસી જાય.

દાદાશ્રી : હા, એ તો સહુ સહુની પોતાની લિમિટ છે, પણ સરવાળે સ્વભાવ તો, છેવટે પોતાની ગુફામાં પેસી જવાનો જ સ્વભાવ. મને કહે છે કે દાદા, મરતી વખતે સમાધિમરણ થશે ? મેં કહ્યું, અત્યારે સમાધિ રહે છે, તો તે ઘડીએ તો વધારે ભય હોય એટલે બધા અંદર પોતાના ઘરમાં જ પેસે. બહાર નીકળે જ નહીં ને ! એટલે સમાધિમરણ જ થવાનું.

અને જેને જ્ઞાન ના હોય, એ ક્યાં પેસે ? નાની છોડી પૈણાવાની રહી ગઈ, તે એ એમાં પેસી જાય, નહીં તો બજારમાં પેસે મૂઓ. એટલે ત્યાં ઈન્ટરેસ્ટ (રસ) હોય એ છોડીમાં. તે ત્યાં બેઠો બેઠો જાણે હમણે જતાં જતાં પૈણાવીને જવાનો હોય ને, એવી વાત કરતો હોય. કારણ કે ભય લાગે ત્યારે ક્યાં જવું એ એની પાસે બીજું સાધન નથી ને ! અને (આપણી પાસે) આપણે પોતે આત્મામાં જવું એ સાધન છે, અને પેલાની પાસે સાધન નથી, એ ક્યાં જાય ? એટલે આવી કોઈ સંજ્ઞા ખોળી કાઢે, વિષય સંબંધી.

પ્રશ્નકર્તા : દાદા, એટલે એ કારણ દેહ બંધાઈ ગયો હોય ?

દાદાશ્રી : એ તો બંધાયેલો જ છે, પણ આ વધારાનું ચીતરે. અને આપણે તો મહીં આત્મામાં જતા રહીએ. ત્યાં પરમાનંદ છે જ. ત્યાં ગયા એટલે કશું દુઃખ રહ્યું જ નહીં ને !

મૃત્યુ જેવા ભયમાંય જાગૃતિ સુંદર રહે

આ આત્મા આપેલો છે ને, તે ભય આવે ત્યારે અંદર પેસી જાય. ભય ના હોય ને, ત્યારે તો બહાર જરા એ લઈ આવે, તે લઈ આવે. પણ બોમ્બ પડવા માંડ્યા કે મહીં પેસી જાય. ભય ના હોય એવી જગ્યા ખોળે, તે મહીં જ પેસી જાય. એટલે આ ભયમાં બહુ સુંદર રહે. મરતી વખતે સુંદર રહે છે અગર તો મરવા જેવો ભય હોય ને, ત્યારે બહુ સુંદર રહે.

પ્રશ્નકર્તા : એટલે ભયમાં જાગૃતિ હજારો ગણી વધી જાય ?

દાદાશ્રી : વધે ખરી, જાગૃતિ વધે, પણ એ હંમેશાં જ્ઞાતા-દ્રષ્ટા તરીકે ભાવ રહેવાનો ને ! પણ તે જ્યારે બહાર આફત આવશે, તે ઘડીએ અંદર પેસી જશે. અને અંદર પેસી જાય ત્યારે સંપૂર્ણ આનંદ જ હોય. દુઃખ જ ના રહે ને !

પ્રશ્નકર્તા : ભય આવે તો આત્મામાં પેસી જાય ?

દાદાશ્રી : એ તો જે બાહ્ય ભાવ છે ને, એ બધા આત્મામાં પેસી જાય. જાગૃતિ જે બાહ્ય વર્તે છે એ જાગૃતિ આત્મામાં પરોવાઈ જાય અને ‘હું શુદ્ધાત્મા છું’ થઈ જાય. પછી તો બહારનું પેલું એ છોડી નાખે બધું, બધા કાગળો લખવાનું બંધ કરી દે અને ‘હું શુદ્ધાત્મા છું’ એવો નિર્ણય થવો, એનું નામ જ આત્માનુભવ !

મરવાનો ભય જ નહીં એ નિત્ય સ્વરૂપ

શુદ્ધાત્મા તો પરમાત્માસ્વરૂપ છે, એની સ્થિતિ નિત્ય છે એટલે અવિનાશી છે.

(પા.૧૯)

પ્રશ્નકર્તા : એટલે હવે શુદ્ધાત્મારૂપે હું અવિનાશી છું, મારો કોઈ વિનાશ નથી.

દાદાશ્રી : હા, નિત્ય છું એટલે પરમેનન્ટ, સનાતન, શાશ્વતો. એ નિત્યપણું સમજાય છે ને ? આત્માનું સનાતનપણું સમજાય છે ને ?

પ્રશ્નકર્તા : એ હજુ બરાબર ખબર નથી. મને અનુભવમાં હોય પણ કહી ના શકું.

દાદાશ્રી : હા, બરાબર છે. પણ પેલો તો અનિત્યભાવ તો ‘હું મરી જઈશ, હું મરી જઈશ’ એ બધો જે હતો, એ અનિત્યભાવ ગયો, એટલે નિત્યમાં આવ્યા હવે.

એ નિત્ય સ્વરૂપ લાગે છે ને, એટલે મરવાનો ભો જ નથી લાગતો. શું એ નિત્ય સ્વરૂપ ઓછું છે કે જેને કોઈ દહાડો એક ક્ષણવાર મરવાનો ભો જ લાગ્યો નથી ? આ બધાની રૂબરૂમાં કહી દઉ છું કે જ્યારે જવું હોય ત્યારે જાવ. પછી એથી વધારે તો નિત્યપણું કેટલુંક...

માઉન્ટ આબુમાં પાલનપુરના એક ભઈ આવ્યા હતા. તે મને કહે છે કે આત્મા નિત્ય છે એનો પુરાવો આપો. ત્યારે મેં કહ્યું, એ તો આપણા હિન્દુસ્તાનના બધા બાળકોય જાણી જાય છે કે ભઈ, આત્મા આમ નીકળી ગયો. ડૉક્ટરો કહે છે, મહીંથી નીકળી ગયો આત્મા, એ નિત્યતાનો પુરાવો તમને લાગતો નથી ? ત્યારે કહે, એવો પુરાવો નહીં, પ્રત્યક્ષ પુરાવો. એક્ઝેક્ટ પુરાવો આપો. ત્યારે મેં કહ્યું, આ દેહ હમણે જ લઈ લો. અમે પોતે નિત્ય જ છીએ એવું અમને અનુભવમાં જ છે અને હું આ દેહની અંદર રહેતો જ નથી. હું એક ક્ષણવાર આ દેહમાં રહ્યો નથી. પાડોશી તરીકે રહું છું, બાવીસ વર્ષ થયા. એટલે એમને ખાતરી થઈ ગઈ. એમણે કબૂલ કરી દીધેલું કે તમે દેહ લઈ લેવાનું કહો છો ત્યાંથી જ આત્મા નિત્ય છે, એનું તમને ભાન છે.

પ્રશ્નકર્તા : નિત્ય છો એનું ભાન છે !

દાદાશ્રી : હા, શાને માટે ભય ? હમણે જ લઈ લે ને ! અમને વાંધો છે જ નહીં. અને તેમ છતાં છૂટી જવાની ઈચ્છા નથી. કારણ કે મનમાં એવી ભાવના છે કે જે સુખ હું પામ્યો છું એ સુખ લોકો પામો. ભાવના એટલી છે ખરી. છતાંય કોઈ દેહ લઈ લે તો વાંધો નથી. પણ છે તો સારું છે, લાગે કે લોકો કંઈક પામે.

શુદ્ધાત્મા સ્વભાવથી જ અસંગ

મેં તમને જે આત્મા આપ્યો છે, તે અસંગ જ આપ્યો છે. દેહનો નિરંતર સંગ હોવા છતાં અસંગ જ છે. આત્માને કશું અડતુંય નથી ને નડતુંય નથી. માટે તે રૂપે રહેવું, નિર્લેપ, અસંગ ! અગ્નિનોય સંગ એને અડતો નથી, તો આ દુઃખનો, શરીરનો શી રીતે અડે ? માટે આ એનો સ્વભાવ પકડી રાખવો.

જ્ઞાન આપ્યા પછી એક વખત નિર્લેપ થયા પછી લેપાયમાન ના થાય, અસંગ થયા પછી સંગી ના થાય. ડૉક્ટરે કહ્યું હોય કે જમણા હાથે પાણી ના અડાડશો તો પણ અનાદિ કાળનો પરિચય તે અડી જાય. તેમ આ અનાદિ કાળના પરિચયે કરીને કંઈક થાય તો બોલવું, ‘અમે નિર્લેપ છીએ, અસંગ છીએ’, એટલે અસંગ થઈ જવાય.

તાવ ભલેને આવ્યો તેથી આત્માને કશું થવાનું નથી. સંગમાં રહેવા છતાં પોતે તો અસંગ જ છે. પોતે તો જ્ઞાતા-દ્રષ્ટા, શુદ્ધ ભાવમાં જ છે. જેવો સંગ તેવો રંગ લાગે. આત્મા ‘અસંગ’ છે. તું ‘અસંગ’ છે તો તને રંગ અડતો નથી, ‘ચંદુભાઈ’ને અડે છે. ‘આપણે’ તો ‘જાણ્યા’ કરીએ !

હવે જે આપણે શુદ્ધાત્મા થયા છે, તે શુદ્ધાત્માને કશું અડે એમ જ નથી. એનો નિર્લેપ સ્વભાવ જ છે. સ્વભાવથી અસંગ જ છે. સ્વભાવથી જ છે, તો પછી આપણે વળી એને અસંગ કરાવવા ક્યાં જઈએ ? જે સ્વભાવથી જ અસંગ છે !

(પા.૨૦)

શુદ્ધાત્માની ગુફા અવ્યાબાધ સ્વરૂપી

આત્મા અવ્યાબાધ છે એટલે કોઈ પણ વસ્તુ, કોઈ ચીજ એવી નથી કે એને બાધા-પીડા કરી શકે.

પ્રશ્નકર્તા : અવ્યાબાધ સ્વરૂપનો અર્થ સમજાવો. અવ્યાબાધ એટલે શું ?

દાદાશ્રી : અવ્યાબાધ એટલે આ શરીરને કંઈ બાધા-પીડા થાય, ચપ્પુ કે બીજું કશું વાગે, તાપ લાગે, ટાઢ વાય, દઝાય, પાણીથી ડૂબાડી દે, પણ ‘એને’ (આત્માને) કોઈ પરિણામ અડે નહીં.

એટલી સેફસાઈડ છે. આ દુનિયામાં બધી તરકીબો નકામી જાય. આ સાયન્ટિસ્ટો ગમે એટલી તરકીબો કરે ને કે બીજા બધા એ બૉમ્બવાળા, બધી તરકીબો ત્યાં નકામી જાય. કોઈ તરકીબ અડે નહીં અગર તરકીબ એને સહેજ પણ દઝાડે નહીં, એવો અવ્યાબાધ સ્વરૂપી છે. એને ભય શો ? ડરવાનું શું રહ્યું ? એવો આત્મા તમારો છે અને જો આત્મા થયા છો, તો શાને માટે ડરવાનું ?

આ દેહ છે ને, તે રૂપી છે. એને તલવાર મારે, સળગાવી દે. રૂપી એટલે બધી અસર થાય. પેલું અરૂપી ખરું ને, તે એને કાપી નાખે તોયે કશું થાય નહીં. આમ કપાય જ નહીં ને ! કપાય નહીં, બળાય નહીં, કોઈથી કશું થાય નહીં એને. આ બાધા-પીડા વગરનો અને દેહ તો બાધા-પીડાવાળો છે. એટલે એવો આત્મા જો પોતે થઈ ગયો, પછી કંઈ ભય જ ના રહે ને !

ક્ષણે ક્ષણે ભયવાળું જગત છે. એક પણ સ્થાન આ જગતમાં ભય વગરનું નથી. મહાત્માઓને અવ્યાબાધપણાના સ્વભાવથી ભયથી બહાર રાખ્યા છે. શુદ્ધાત્માની ગુફા તો અવ્યાબાધ સ્વભાવવાળી છે, તેમાં હું તમને બેસાડું છું.

કોઈ કહે, ‘હું તમને મારી નાખીશ.’ એ ભય પામવાની જગ્યાએ એને શું થાય કે ‘હું અવ્યાબાધ છું, મને શું મારવાના ?’ એ અવ્યાબાધ ના જાણતો હોય તો એ ‘મને કોઈ મારી નાખશે તો શું થશે’ એવું કહે. કોઈ કહે, ‘કાપીને ટુકડા કરીશ.’ તોય મનમાં આપણને એમ લાગે કે ‘હું અવ્યાબાધ છું, શરીરના ટુકડા થાય.’ એટલે પહેલાથી એના ગુણો સ્ટડી કરી રાખવાના, મજબૂત કરી રાખવાના.

અનુભવવું છે એ અવ્યાબાધ સ્વરૂપ

શુદ્ધાત્માનું લક્ષ બેઠા પછી શ્રેણી મંડાય. ત્યાર પછી પોતાનું સ્વરૂપ અવ્યાબાધ છે, સૂક્ષ્મ છે, અમૂર્ત છે એ અનુભવમાં આવતું જાય.

આ જ્ઞાન મળ્યા પછી માણસ શ્રેણી માંડી શકે, નહીં તો શ્રેણી જ માંડી શકે નહીં ને !

સમુદ્ર જેવો અજ્ઞાન સંસાર છે ! અને એમાં જન્મે છે ને મરે છે ! તેમાં ‘નિશ્ચય-સ્વરૂપ’ પોતાનું સમજી જાય તો કામ થઈ જાય !

આ આખા સંસારસમુદ્રમાં ‘હું શુદ્ધાત્મા છું’ કહ્યું, એટલો એનો એક પગ નીચે પડ્યો. સમુદ્રમાં એક પગ નીચે ગોઠવાયો. તે આપણે શુદ્ધાત્મા, આ જ્ઞાનના લક્ષવાળા. આ બહાર શુદ્ધાત્મા બોલે તો પગ નીચે ગોઠવાયો નથી. આ તો આખા સંસારસમુદ્રમાં પગ જ કોઈ જગ્યાએ ગોઠવાય નહીં, એટલી ઊંડાઈ જ નહોતી આવતી. જ્યાં પગ નીચે ગોઠવવા જાય તો પાણી, પાણી ને પાણી ! હવે આ પગ ગોઠવાયો, શ્રેણી મંડાઈ. પગ ગોઠવાય એટલે થાક્યા હોય તોયે મનમાં હાશ રહે. એક પગે ઊભા રહે, પછી ધીમે ધીમે બીજો પગ ગોઠવીએ પણ એક ગોઠવાવો જોઈએ. તો આ પગ ગોઠવાયો એટલે પુરુષાર્થ ચાલુ થયો, નહીં તો પુરુષાર્થ પોતાના હાથમાં જ નહીં ને ! થાકી ગયા એટલે ડૂબી ગયે જ છૂટકો. તે આ દરિયો ડૂબાડી દેશે, પણ પાછો આ દરિયો ડૂબાડતોય નથી. મૂઆ, પાર વગરનો થાક લાગે તોય ડૂબાડે નહીં. આપણે કહીએ, ડૂબી જવાનો... ? ત્યારે કહે, ‘ના,

(પા.૨૧)

ડૂબી મરવાનો નહીં, થાકમાં ને થાકમાં ફર્યા કરો.’ તે આ એક પગ મૂક્યો કે શ્રેણી માંડે પછી. શ્રેણી એટલે અનુભવના સ્ટેપિંગ બધા. પહેલો અનુભવ, સેકન્ડ અનુભવ, થર્ડ અનુભવ એમ કરતો કરતો જ્યારે આત્માના અવ્યાબાધ સ્વરૂપનો અનુભવ, અમને જેવો અવ્યાબાધ સ્વરૂપનો અનુભવ હોય તેવો થાય ત્યારે એ અનુભવ ઠેઠ ઊંચામાં ઊંચો થઈ ગયો કહેવાય. આ કાળમાં જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધીનો અનુભવ થયો કહેવાય, અવ્યાબાધ સ્વરૂપનો.

સૂક્ષ્મભાવની અનુભવ શ્રેણી ક્યારે પૂર્ણ થાય કે જ્યારે ‘હું અવ્યાબાધ સ્વરૂપ છું’ એમ થઈ જાય ત્યારે.

અક્રમ વિજ્ઞાનમાં સમાધિમરણ

પ્રશ્નકર્તા : હવે (મહાત્માઓને) મરણ આવે તો કઈ જાતનું આવે ?

દાદાશ્રી : હવે સમાધિમરણ આવે, બીજું શું ? એ વખતે સમાધિ રહેશે. મરતી વખતે તો કશો વિચાર જ નહીં આવે. ‘હું શુદ્ધાત્મા છું’ એ જ વિચાર આવશે ને આ બધું તમે જોયા કરશો.

‘હું ચંદુભાઈ છું’ એ ‘અપદ’ છે. ‘અપદ’ એ મરણપદ છે. અને ‘હું શુદ્ધાત્મા’ એ ‘સ્વપદ’ છે.

અંતિમ હેતુ સિદ્ધકવાણી, હોય જ મંત્રસ્વરૂપે,

ઈ મંતરને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવપદ સિદ્ધ વરતે.

- નવનીત

અમે શુદ્ધાત્માનો (અંતિમ હેતુ સિદ્ધક) મંત્ર તમને આપ્યો છે તે સ્વાનુભવ વર્તે. આ અજપાજાપ તે મહીં પોતાના લક્ષની, સ્વપદની સ્થિરતા સ્થાપે.

સ્વાનુભવપદ એટલે ‘હું તે જ છું’ અને ‘તેમાં જ રહું છું’ અને ‘આ (દેહ) પાડોશી છે’ એવું પદ ચાખે ને, એ સ્વાનુભવપદ કહેવાય.

સ્વપદ એ નિર્લેપપદ છે અને બીજું બધું નાશવંતપદ છે. સ્વપદમાં અમરતા છે. જ્ઞાની પુરુષે સ્વપદમાં બેસાડી તમને અમર બનાવ્યા.

આપણા મહાત્માઓને તો તે ઘડીએ મરણનો ભો જ ના હોય ને ! તે ઘડીએ તો પોતે તે જ રૂપ થઈ જાય. બીજો ડખો જ ના હોય. એટલે સમાધિમરણ થાય. પોતે પોતાના મરણને જુએ. જેમ તને અત્યારે દેખાય છે ને, ચંદુ ? એવું એ તે દહાડેય જુએ. સમાધિમરણ કહેવાય એને. એક ફેરો સમાધિમરણ થયું એટલે મોક્ષ થવાની તૈયારી થઈ ગઈ.

પ્રશ્નકર્તા : આ કાળમાં સમાધિમરણ થાય ખરું ?

દાદાશ્રી : થાય છે ને ! આ બીજી કોઈ જગ્યાએ ના થાય. ફક્ત આ અમારું અક્રમ વિજ્ઞાન છે આ તો !

પ્રશ્નકર્તા : ત્યાં થાય ?

દાદાશ્રી : હા, અહીં વીતરાગોનું વિજ્ઞાન છે, પણ અત્યારે અક્રમ તરીકે અહીંયા આગળ અમારા નિમિત્તે નીકળેલું છે. તે થાય છે સમાધિમરણ બધાને. સમાધિમરણ ના થાય તો શું કરવાનું ? આખી જિંદગી દાદાની સેવામાં રહ્યા, કર્મ બાંધ્યા નહીં. આર્તધ્યાન-રૌદ્રધ્યાન ના થાય તેને એ થાય.

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી સમાધિમરણ થાય એ કેવી રીતે ?

દાદાશ્રી : નિરંતર સમાધિ રહે તો મરતી વખતે તો સાવ ઊલટું તરત પોતાની ગુફામાં જ પેસી જાય, શુદ્ધાત્મામાં જ પેસી જાય. અત્યારે દુઃખ આવે તોયે શુદ્ધાત્મામાં પેસી જાય. તે દહાડે તો એક્ઝેક્ટ રહી જાય. આપણા (મહાત્માઓ) ઘણા ખરા કાળ કરી ગયા, તે બધા છે તે સમાધિમરણમાં જ !

સમાધિમરણ વખતે ‘શુદ્ધાત્મા’નું જ ભાન

એટલે મરણને કહીએ, કે ‘તારે વહેલું આવવું

(પા.૨૨)

હોય તો વહેલું આવ, મોડું આવવું હોય તો મોડું આવ પણ ‘સમાધિમરણ’ આવજે !’

સમાધિમરણ એટલે આત્મા સિવાય બીજું યાદ જ ના હોય. પોતાના સ્વરૂપ શુદ્ધાત્મા સિવાય બીજી જગ્યાએ ચિત્ત જ ના હોય. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર કશું હાલમહાલ હોય નહીં ! નિરંતર સમાધિ ! દેહને ઉપાધિ હોય છતાં ઉપાધિ અડે નહીં. દેહ તો ઉપાધિવાળો ખરો કે નહીં ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એકલો ઉપાધિવાળો જ નહીં, વ્યાધિવાળોય ખરો કે નહીં ? જ્ઞાનીને ઉપાધિ અડે નહીં. વ્યાધિ થઈ હોય તો અડે નહીં. અને અજ્ઞાની તો વ્યાધિ ના થઈ હોય તો વ્યાધિ બોલાવે ! સમાધિમરણ એટલે ‘હું શુદ્ધાત્મા છું’ એવું ભાન રહે ! આપણા કેટલાય મહાત્માઓના મરણ થયા તે બધાને ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું’ એવું ભાન રહ્યા કરે.

એક ક્ષણ પણ જો આત્મા થઈને આત્મા બોલ્યો, એટલે ભગવાન મહાવીરે કહ્યું કે છૂટ્યો. આત્મા થઈને, ‘હું શુદ્ધાત્મા છું’ એવું થઈને બોલ્યો. તો તમે તો થઈને કેટલાય વખતથી બોલ બોલ કરો છો. તમે ‘હું શુદ્ધાત્મા’ બોલો છો, એ આત્મા થઈને આત્મા બોલો છો.

જ્ઞાનીકૃપાએ ‘અજન્મા-જન્મ’ પદ

જ્ઞાની મળે ને જ્ઞાન પામે તો અજન્મા સ્વભાવ પ્રગટ થાય અને જન્માજન્મનો સ્વભાવ ઊડી જાય.

અનેક જન્મ લીધા પણ અજન્મા થવાનો વારો આવતો નથી. પણ અમને મળ્યા એટલે (મોક્ષની) ટિકિટ ફાડીને ભટકવાનું બધું બંધ કરાવી દઈએ.

પેલા જન્મવાળા જન્મ તો બહુ ફેરા થયા અને પછી મરવું પડે. આ તો અમરપદ પ્રાપ્ત થયું કહેવાય.

આપણે કંઈ જ્ઞાન લીધેલા (મહાત્માઓ) મરવાના તો નથી ને ? તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : દેહ મરે આ, પોતે તો આત્મા છે. મરવાનો સવાલ જ ક્યાં રહ્યો હવે ? તમને કેમ લાગે છે ?

પ્રશ્નકર્તા : બરોબર છે.

દાદાશ્રી : તું મરું ખરો ?

પ્રશ્નકર્તા : ના મરું.

દાદાશ્રી : હંઅ, જુઓ, અમર થઈને બેઠા છે ને !

સ્વપદમાં અમરતા છે. જ્ઞાની પુરુષે સ્વપદમાં બેસાડી તમને અમર બનાવ્યા. ત્યારે હવે રોફ મારે છે.

મહાત્માઓને દાદા આપે ‘અમરપદ’

પ્રશ્નકર્તા : અમરપદ વિશે સમજાવશો ?

દાદાશ્રી : અમરપદ એટલે શું ? આત્મજ્ઞાન થાય એટલે અમરપદ. ‘પોતે આત્મા છું’ એવું ભાન રહે તો એ અમર જ છે. પછી મરવાનું હોય જ નહીં ને ! પછી તમે ચંદુભાઈ હોય તો મરો ને ? ચંદુભાઈ (પદ) છૂટી ગયું. હવે મરી જઈશ કે જીવતો રહીશ ?

પ્રશ્નકર્તા : હું તો અમર છું ને, દાદા ! ચંદુ મરી જવાનો છે.

દાદાશ્રી : હા, તારે તો મરવાનું નહીં ને ? ચંદુ મરે. જે જીવે છે, દવાઓ પીએ છે, એ મરે. જે જીવે છે એ મરે. જે જીવતો નથી, નિરંતર છે તેને મરવાનું હોતું હશે ? અવિનાશીને મરવાનું હોય ? અવિનાશી થઈને બેઠો છું ને ? ત્યારે ખરું.

આ જ્ઞાન લીધા પછી ફરી મરવાનું ના હોય,

(પા.૨૩)

એનું નામ અમર. આ અમર જ્ઞાન જેને થયા કરે, એને મરવાનો ભો ના લાગે.

મરનારાનો જે માલિક થાય તેણે મરવું પડે. મરનારાનો માલિક નથી, તેને મરવું જ ના પડે. હું અમરપદ લઈને આવેલો છું અને તમને પણ તે જ પદ આપું છું.

અમરપદમાં મરવાનું નહીં

આત્મા અજર-અમર-અખંડ, પરમાનંદી સ્વરૂપ છે. તમારું સ્વરૂપ પરમાનંદી છે, અજર છે, અમર છે, અવિનાશી છે.

(આત્મા) એ સ્થૂળ વસ્તુ નથી, કે મરી જાય. એ તો સૂક્ષ્મતમ વસ્તુ છે. એને મરવાનું હોય જ નહીં. આ આકાશ જેવી જ વસ્તુ છે. એનો નાશ જ ના થાય ને એ ડુંગરની આરપાર જતો રહે, ભીંતોની આરપાર જતો રહે. એને અગ્નિ બાળી શકે નહીં. પાણી એ (ભીંજવી) કરી શકે નહીં. એના બીજા બહુ ગુણો છે.

એટલે જો તમે મરવાના છો, તો રિલેટિવમાં છો અને તમને પોતાને જો એવી ખાતરી થઈ ગઈ કે હું અમર જ છું અને દેહ મરવાનો છે, તો તમે રિયલમાં છો.

આ તો જ્યાં મરવાનું પદ છે, ત્યાં જ તું માનું છું કે ‘હું જ ચંદુ છું.’ એ પદ આખું બદલાઈ ગયું એટલે થઈ રહ્યું, ખલાસ થઈ ગયું.

એ ચંદુ તો ઓળખવાનું સાધન છે. ખરેખર ‘હું શું છું’ એ જાણવું જ જોઈએ ને ? ખરેખર એ તું જાણું એટલે પછી તારે મરવાનું રહ્યું જ નહીં, એ અમરપદ થયું.

અમરપદધારીને ભય શાને ?

પ્રશ્નકર્તા : ખરું છે દાદા, અમને હવે મરણનો ભય પણ નથી લાગતો !

દાદાશ્રી : તમને મનમાં એમ છે કે દાદા છે મારી સાથે. એટલે ભય નથી રહેતો. અને આપણે શુદ્ધાત્મા થયેલા છીએ. અમરપદ લીધું છે ! અમરપદને ભય શો ?

તમને તો અમરપદ આપી દીધું છે. મરશે તો દેહ મરશે, આપણે અમર જ છીએ.

માણસ મરે છે એક વખત અને સો વખત બોલે કે એય... મરી ગયો, એય... મરી ગયો. લોકો સો વખત બોલે છે કે નથી બોલતા ? આ કંઈ રીત છે માણસોની ? મરવાનું આવે તોયે ‘મરી ગયો’ ના બોલીએ, કારણ કે આપણે તો અમર છીએ. આપણે મરવાનું શાનું હોય તે ?

આપણા મહાત્માઓ તો પુરુષ થયેલા. તે આ શ્વાસ ના ચાલ્યો તો મહીં ગૂંગળામણ થાય એટલે પછી પોતાની ગુફામાં પેસી જાય કે ચાલો, આપણે આપણી સેફસાઈડવાળી જગ્યામાં. એટલે પોતે અમરપદના ભાનવાળા છે આ !

સદેહે અમર ! એટલે આ દેહ સાથે આપણે બધા અમર જ થઈ ગયા છીએ ને ! દેહ કોઈનો અમર થાય નહીં. પુદ્ગલ વિનાશી જ હોય અને આત્મા અવિનાશી.

બૉમ્બ પડવા માંડ્યા તો મહીં ફફડી જાય, તે ઘડીએ કહેવું કે આ બૉમ્બ તો મરવાના હોય તેને, ‘ચંદુભાઈ, મારે આયુષ્ય ના હોય. આયુષ્ય જેને મરવાનું હોય તેને, હું તો અમર છું.’

‘અમરપદ’ પછી બુઝે નહીં, ઝગે નહીં

જ્યાં સુધી આપણને પોતાને પોતાનું અમરપદ જાણવામાં ન આવે, એ પામે નહીં ત્યાં સુધી કલ્યાણ પામ્યો નથી. અમરપદ જો જાણી લીધું તો કલ્યાણ થઈ ગયું ! પછી તે પદ બૂઝે નહીં કે ઝગે નહીં.

આપણા મહાત્માઓએ તો અમરપદ બૂઝી

(પા.૨૪)

લીધું, જાણી લીધું એટલે તે રૂપ જ થઈ ગયા અને બહારના કોઈક કહે કે અમને સાક્ષાત્કાર થયો, તે તો અમરપદના ફોટાનો, મૂળ વસ્તુનો નહીં.

ભૂતકાળ ને ભવિષ્યકાળ જોડે આપણે લેવાય નથી ને દેવાય નથી. વર્તમાનમાં જ રહે એનું નામ અમરપદ. અમે વર્તમાનમાં એવા ને એવા જ રહીએ છીએ. રાત્રે ઊઠાડો તોય એવા ને દહાડે ઊઠાડો તોય એવા. જ્યારે જોઈએ ત્યારે એવા ને એવા જ હોઈએ.

પ્રશ્નકર્તા : એટલે આ જે આત્મા અમર છે, તો આત્માને આત્માનું પોતાનું સમજાય કે હું શુદ્ધાત્મા જ છું. પછી એને બીજું ખોળિયું ના કરવું પડે ?

દાદાશ્રી : ના, એક થોડોક થોડોક મેલ ચોંટી જાય, તે એક-બે અવતાર પછી કાઢવા પડે.

પ્રશ્નકર્તા : એટલે પછી આત્મા અમર રહે એમ ?

દાદાશ્રી : આત્મા અમર જ છે ને આત્મામાં જ રહે એ. એનો ઉપયોગ, જાગૃતિ બધી આત્મામાં જ હોય.

મરણનો ભય નહીં ત્યાં ‘મોક્ષના વીઝા’

આ તમને અજાયબ જ્ઞાન આપેલું છે. રાતે જ્યારે જાગો ત્યારે હાજર થઈ જાય કે ‘હું શુદ્ધાત્મા છું.’ તમે જ્યાં કહેશો ત્યાં હાજર થશે. અને બહુ મુશ્કેલી આવે તો નિરંતર જાગૃત રહેશે. બહુ મોટી મુશ્કેલી આવી અને એથી વધારે મુશ્કેલી આવી, બોમ્બ પડવા માંડ્યા’તા તો પછી ગુફામાં પેસી જશે, કેવળજ્ઞાની જેવી દશા થઈ જશે. બહાર બોમ્બ પડવા જોઈએ તો કેવળજ્ઞાન જેવી દશા થઈ જાય એવું જ્ઞાન આપેલું છે.

પ્રશ્નકર્તા : કેવળજ્ઞાન એટલે શું ?

દાદાશ્રી : કેવળજ્ઞાન એટલે કેવળ આત્મા જ, બીજી કોઈ ચીજમાં હુંપણું નહીં. નિરંતર હુંપણું શામાં ? આત્મામાં જ. આત્મા એ જ્ઞાનસ્વરૂપ છે અને જ્ઞાનમાં જ હુંપણું. આત્મા જેને શુદ્ધ ચૈતન્ય કહેવામાં આવે છે, એ કોઈ વસ્તુ નથી, કેવળજ્ઞાન માત્ર છે. ફક્ત જ્ઞાન જ છે, કેવળજ્ઞાન જ છે.

કોઈ પણ સંયોગમાં ભય ના લાગે. ગમે તેવા એટમબોમ્બ નાખે, ગમે તે થાય પણ ભય ના લાગે. મહીં પેટમાં પાણી ના હાલે ત્યારે જાણવું કે વિજ્ઞાન પૂરું થઈ ગયું છે. અગર તો જેણે આવું લક્ષ બાંધ્યું હોય કે કોઈ પણ સંજોગોમાં મને ભય ન લાગવો જોઈએ, તે રસ્તે ચાલે છે, તે માણસને વિજ્ઞાન પૂરું થવાની તૈયારી છે.

અહીંથી મરવાનું આવે પણ ભો ના રહે તો જાણવું કે હવે મોક્ષને માટે ‘વીઝા’ મળી ગયો ! ભય ના લાગવો જોઈએ. કોઈ રસ્તે ભય ના લાગવો જોઈએ. કારણ કે જ્યાં માલિક જ તમે છો, ભય વળી કોનો તે ? માલિક છો, દસ્તાવેજ છે, ટાઈટલ છે, બધું જ તમારી પાસે છે પણ તમને ખબર નથી, તે શું થાય તે ?

એટમબોમ્બ પડવાના હોય, તોયે પણ એટમબોમ્બ નાખનારો ભડકે પણ જેની પર પડનારો છે એ ભડકે નહીં, એટલી બધી તાકાતવાળું વિજ્ઞાન છે આ !

મૃત્યુ વખતે દાદા હાજર, આત્મા હાજર

પ્રશ્નકર્તા : મહાત્માને ક્યારે મૃત્યુ થવાનું છે એ ખબર પડે ખરી ? જો બધી જ આજ્ઞા પાળતો હોય આપની અને જ્ઞાતા-દ્રષ્ટા તરીકે રહેતો હોય, તો એને અંત સમય આવ્યો છે એવી ખબર પડે ખરી ?

દાદાશ્રી : ખબર પડે. ના પડે તોય વાંધો નથી. પણ ત્યાં આગળ દાદા સાચવશે ઠેઠ સુધી. એટલે ચિંતા કરશો નહીં. આટલું કરનારને દાદા બધી રીતે સાચવી લેશે.

(પા.૨૫)

પ્રશ્નકર્તા : તે સમયે કોઈ અનુભવ થાય ?

દાદાશ્રી : અનુભવ થઈ જાય ને ! આત્મામાં જ હશે તે ઘડીએ. છેલ્લો એક કલાક આત્મામાં જ હોય, બહાર નીકળે જ નહીં. કારણ કે બહાર ભયજનક વાતાવરણ લાગે.

પ્રશ્નકર્તા : દાદાને ભજવામાં જે દેહે સાથ આપ્યો છે અને આપે છે, તે અંતિમ સમયે દેહ છોડતાં છેલ્લી ઘડીએ દાદા હાજર રહે તેવો ભાવ કરું છું, પ્રભુ મને એવું આપજો.

દાદાશ્રી : સ્ટીમર ડૂબવાની હોય ત્યારે એ સ્ટીમરની મમતા છોડી દે કે ના છોડી દે ? સ્ટીમર ડૂબતી હોય અને એક બાજુ કહે છે, ‘ચાલો પેસેન્જરો, આમાં હોડીઓમાં ઊતરી જાવ. કશું લેશો નહીં. હાથમાં વજન લેશો નહીં.’ તે મમતા છોડી દે ! ના છોડે ? એ સ્ટીમરમાં બેસી રહે પછી ? અને પછી ‘દરેક ઘરનાં બે માણસ લેવાના છે.’ એટલે એના બાબાને જવા દે કે એ ડોસો પોતે જાય ? બીજાને ના જવા દે. આ બીજાને જવા દે કોઈ ? એ તો બધાને ખસેડીને, એને જવા ના દેતાં હોય તોય જતો રહે ને ? અરે, બધાને ધક્કા મારીને જતો રહે. બધી મમતા છોડી દેવાની શરતે મને જીવતો રાખો. તે મરતી વખતે આવા ખેલ થાય છે ! આપણા જ્ઞાનવાળાને, તે મહીં આત્મામાં પેસી જાય છે ને, પછી આપણે કહીએ, ‘બહાર નીકળો ને !’ ત્યારે કહે, ‘ના, બા. મારે હવે કશું જોઈતું નથી.’ એને સમાધિમરણ કહેવામાં આવે છે. બહાર શરીરમાં ઉંઉં... થતું હોય અને મહીં પોતાને સમાધિ હોય. છેલ્લી ઘડીએ આટલો બધો આજ્ઞામાં રહે છે. એટલે કોઈએ ચિંતા નહીં કરવાની.

અંત સમયે દાદાની હાજરી વર્તાય જ

પ્રશ્નકર્તા : મરતી વખતે દાદા હાજર રહેશે ?

દાદાશ્રી : હા. હાજર તો, ખરેખરા હાજર રહેશે. (દાદા) આડે દહાડે હાજર રહે છે ને ? આખો દહાડો રહે છે ! થયું ત્યારે ! જો આખો દહાડો રહે છે એવું કહે છે ને ! આડે દહાડે હાજર રહેતા હોય તો મરતી વખતે ના રહે ?

એટલે તમારે બહુ વિચારવાનું ના હોય કે દાદા હાજર થજો. એવી દાદાને વિનંતીયે કરવાની ના હોય.

અનંત અવતાર મર્યા પણ બધા કુમરણ થયા, સમાધિમરણ થયું નથી અને હવે સમાધિમરણ થશે. કારણ કે જ્યારે કંઈક સંસારી આફત આવે છે ત્યારે તું ચંદુ રીતે રહું છું કે આત્મા થઈ જાઉં છું ?

પ્રશ્નકર્તા : આત્મા થઈ જાઉં છું.

દાદાશ્રી : હા, તે કંઈક મરણની આફત આવી પડી, તે ઘડીએ મહીં આત્મા થઈ ગયો હોય ! આફત આવી કે ઊભો ના રહે બહાર, હોમમાં (આત્મામાં) પેસી જાય એ સમાધિમરણ. સંસારનું છેવટનું સ્ટેશન શું હોવું જોઈએ ? સમાધિ.

પ્રશ્નકર્તા : મહાત્માઓનું મૃત્યુ સમાધિમાં જ થશે ?

દાદાશ્રી : અમારી આજ્ઞા પાળે તો અમે હાજર હોઈશું ને સમાધિમરણ થશે.

પ્રશ્નકર્તા : એટલે સમાધિમરણ થાય, તે વખતે આપણે આત્મામાં રહીએ ?

દાદાશ્રી : હા, સમાધિમરણ એટલે ‘પોતાના સ્વરૂપ’ સિવાય બીજું કશું યાદ જ ના હોય. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર કશું જ હાજર ના હોય, આત્મામાં જ હોય.

સમાધિમરણ, તે સમયે આત્મામાં હોય ત્યાં ! મહાત્માઓની છેલ્લી ઘડીએ તો દાદા ખડે પગે હાજર રહેશે !

જય સચ્ચિદાનંદ