‘સ્વ-પર’ના સાંધાની જાગૃતિના પુરુષાર્થ સૂત્રો

સંપાદકીય

સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ પેસાડે, દાદાશ્રીના પરમાર્થી આપ્તવચન,

નથી માત્ર આ પઠન કાજે, માંગે ઊંડું પરમ અર્થઘટન!

જ્ઞાની પમાડે તારણોનોય સાર, તેવાં અદ્ભુત જ્ઞાનવાક્યો,

નિરંતર વર્તાવે સ્વભાન-લક્ષ-જાગૃતિ, અનુપમ જાગૃતિદર્શક સૂત્રો!

‘જાગૃતિ’નો એક જ શબ્દ પચ્યે, મંડાવે મોક્ષના ગભારે પગરણ,

જ્ઞાની પુરુષની જાગૃતિની ઝલકો, ઝૂકાવે શીશ જ્ઞાની ચરણ!

પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી)ની કૃપા થકી જ્ઞાનવિધિના ભેદવિજ્ઞાન પ્રયોગમાં સૂક્ષ્મતમ અહંકાર જ્યારે ફ્રેક્ચર થાય છે, ત્યારે ‘હું ચંદુ છું’ એ રોંગ બિલીફ છેદાય ને રાઈટ બિલીફ ‘હું શુદ્ધાત્મા છું’ એ પ્રતીતિમાં બેસે છે ને પછી ‘પોતે’ જાગૃત આત્મા રૂપે થાય છે, અને એ જ પોતાનું શુદ્ધાત્મા પદ ! રાઈટ બિલીફ બેસતાની સાથે પ્રજ્ઞા એ પણ જ્ઞાનથી ઊભી થનારી શક્તિ છે. પ્રજ્ઞા એ જ મૂળ જાગૃતિ છે. ઓછી-વત્તી દેખાય છે એટલે જાગૃતિ કહીએ છીએ. પ્રજ્ઞા ફૂલ તો સંપૂર્ણ જાગૃતિ.

પ્રસ્તુત અંકમાં ‘જાગૃતિ’ શબ્દને ઝીણવટથી સમજાવવાનો નમ્ર પ્રયાસ કરેલ છે. દાદાશ્રી સરળ ભાષામાં કહે છે કે જાગૃતિ એટલે ‘ઊંઘવું નહીં તે’, ત્યાંથી ઠેઠ ‘દીવો ઓલવાય નહીં તે.’ જાગૃતિને ઊંડાણથી અનુભવવા માટે દાદાશ્રી જુદા-જુદા શબ્દ પ્રયોગો દર્શાવે છે, જેમ કે વાતચીતના પ્રયોગ દ્વારા ચંદુથી જુદા પડવાનો પ્રયોગ, ચંદુને જુદો જોવો-જાણવો, ઉપયોગ, શુદ્ધ ઉપયોગ, ઉપયોગ પર ઉપયોગ, દ્રશ્ય-દ્રષ્ટા, જ્ઞેય-જ્ઞાતા, જ્ઞાતા-દ્રષ્ટા. ‘જાગૃતિ’ શબ્દ સાથે સંકળાયેલ આ સૂત્રો પુરુષાર્થી મહાત્માઓને પ્રગતિના સોપાનો ચઢાવશે. જેમ જેમ જાગૃતિની સૂક્ષ્મતા આવે, પછી એથી આગળ બધા જ આવરણો ભેદે ત્યારે આત્મા સ્વસંવેદનમાં આવે. સ્વસંવેદન પહેલા આવે ને પછી વધતું વધતું સ્પષ્ટવેદન થઈ જાય ! જ્ઞાન મળ્યા પછી જાગૃતિની શરૂઆત થઈ જાય છે. અને સંપૂર્ણ જાગૃતિ એટલે કેવળ સ્વરૂપ રમણતા જ, એ જ કેવળજ્ઞાન, એ જ ખુદ પરમાત્મા! પાંચ આજ્ઞાના પુરુષાર્થથી જાગૃતિ વધતી વધતી ફૂલ થાય, તે કેવળજ્ઞાન!

શુદ્ધાત્મા એ પહેલું સ્ટેશન, વસ્તુ સ્વરૂપનું પહેલામાં પહેલું ‘પરું’ છે. પછી એવા કેટલાય ‘પરાં’ આવે, જેમ જેમ અનુભવ વધતા જાય ને તેમ તેમ આગળનું ‘પરું’ આવતું જાય. ત્યાર પછી મૂળ સેન્ટ્રલ સ્ટેશન એટલે પરમાત્માનું સ્ટેશન આવશે. જેમ જેમ અનુભવ વધતા જાય ને, તેમ તેમ આ ભવે પ્રત્યક્ષ જ્ઞાનીની નિશ્રામાં મહાત્માઓની અંશ જાગૃતિથી શરૂઆત થતા આગળ સંપૂર્ણ જાગૃતિ સુધી પહોંચી, પોતે પોતાના સ્વસંવેદન-સ્પષ્ટવેદન સુધી પહોંચવાના પુરુષાર્થ માંડે, તે માટે આ જાગૃતિદર્શક સૂત્રોને સમજીને ચિંતવન થાય તે જ હૃદયથી અભ્યર્થના.

~ જય સચ્ચિદાનંદ.

‘સ્વ-પર’ના સાંધાની જાગૃતિના પુરુષાર્થ સૂત્રો

(પા.૪)

(સૂત્ર-૧)

સંસારના હિતાહિતનું ભાન થાય એટલે સંસારના સર્વ પ્રકારના હિતનું ભાન ને સંસારના સર્વ પ્રકારના અહિતનું ભાન થાય, ત્યારે સાંસારિક સંપૂર્ણ જાગૃતિ થાય. સંસારની સંપૂર્ણ જાગૃતિ થાય પછી આત્માના હિતાહિતની જાગૃતિ ઉત્પન્ન થાય.

પ્રશ્નકર્તા : જાગૃતિ એટલે શું ?

દાદાશ્રી : ઊંઘવું નહીં તે. આખું જગત ઉઘાડી આંખે ઊંઘે છે. કોઈ પણ માણસ એવો નથી કે જે ઉઘાડી આંખે ના ઊંઘતો હોય. પ્રેસિડેન્ટો, ઑફિસરો, પ્રધાનો બધાય ઉઘાડી આંખે ઊંઘે. જાગૃતિ આવે તો ‘ચંદુભાઈ’ શું કરે છે એ બધું જ ‘જાણે.’ સાંજે વિગતવાર લખી લાવે હઉ. એવી જાગૃતિ લોકોને ખરી ? અને હિતાહિતનું ભાન હોય, એનું નામ જાગૃતિ. હિતાહિતનું ભાન મનુષ્યોને છે જ ક્યાં ?

તમને ખુલાસો થયો થોડો ઘણો ? ‘ચંદુભાઈ’ શું કરે છે એ દેખાતું નથી ‘તમને’ ?

પ્રશ્નકર્તા : દેખાય છે.

દાદાશ્રી : અને ‘હું શુદ્ધાત્મા છું’ એ કેટલા વખત ખ્યાલ રહે છે ?

પ્રશ્નકર્તા : નિરંતર.

દાદાશ્રી : શુદ્ધાત્મા થઈ ગયા. આ નિરંતર પ્રતીતિ કહેવાય !

પ્રશ્નકર્તા : દાદા મળી ગયા હોય, દાદાનું જ્ઞાન મળી ગયું હોય તો જ એ જાગૃતિ ઉત્પન્ન થાય ને ?

દાદાશ્રી : એની વાત જ જુદી હોય. બનતાં સુધી જાગૃતિ હોવી મુશ્કેલ છે. કારણ કે આ કાળમાં જાગૃતિ ના રહે. કો’ક જ, બહુ જવલ્લે કોઈને હોય ! એ જન્મજાત હોય ! જન્મજાત જાગૃતિ લઈને આવ્યો હોય. મેં જ્ઞાન આપ્યા પછી જે જાગૃતિ શરૂ થઈ જાય, તે પછી જાય નહીં. કેટલી અજાયબી છે કે પછી જાગૃતિ જતી જ નથી ! નિરંતર જાગૃતિ રહે છે !

(સૂત્ર-૨)

આત્મા પ્રાપ્ત થયાની નિશાની શી ? ત્યારે કહે, જાગૃતિ, નિરંતર જાગૃતિ. જાગૃતિમાંથી ‘અનુભવ’ થશે ને જાગૃતિમાંથી જ ‘કેવળજ્ઞાન’ થાય છે.

પ્રશ્નકર્તા : જાગૃતિ એ આત્માનું લક્ષ મેળવવા માટે જ ને ?

દાદાશ્રી : ના, લક્ષ તો મળી ગયું. જાગૃતિ એટલે આ પાંચ વાક્યો (આજ્ઞા) સાથે તરત જ જાગ્રત થઈ જાય, એટલે જ્ઞાન હાજર થઈ જાય. દરેકમાં જેને જ્ઞાન હાજર થાય, એનું નામ જાગૃતિ. દરેક વખતે, તમે પદ બોલતા હોય તે પદનો શબ્દેશબ્દ દેખાય ત્યારે જાણવું કે આ જાગૃતિ. આ અમે બોલાવીએ સીમંધર સ્વામીને નમસ્કાર, તે ઘડીએ અમારી જાગૃતિ તે પ્રમાણે જ કરતી હોય. તે જાગૃતિ વધારવાની છે. આમ કરતાં કરતાં વધતી જાય. થોડી આજે વધે, થોડી કાલે વધે, એમ કરતાં કરતાં સંપૂર્ણ જાગૃતિ વધે. જાગૃતિ જ લાવવાની છે. જાગૃતિ વધવી જોઈએ. કેવળજ્ઞાન એટલે સંપૂર્ણ જાગૃતિ, એક અંશ અજાગૃતિ નહીં.

પ્રશ્નકર્તા : અનુભવની અંદર છે તે જાગૃતિ આવે છે ? જાગૃતિ એ જ અનુભવ ને ?

દાદાશ્રી : નહીં, જાગૃતિ એ જ વસ્તુ છે કે જેનાથી અનુભવ બીજા બધા આપણને થાય છે.

(પા.૫)

એક બાજુ લખીએ કે પહેલા ચંદુભાઈ હતા તે શું હતા અને અત્યારે ચંદુભાઈ શું છે ? એ શું કારણથી ? ત્યારે કહે છે કે આ જ્ઞાનના પ્રતાપે, જાગૃતિના પ્રતાપે આ આત્મા તરફની દિશા જાગી ગઈ છે, રાઈટ દિશામાં અને આ રોંગ દિશામાં હતા, તે આખોય ચેન્જ મારે, હંડ્રેડ પરસેન્ટ ચેન્જ લાગે.

પ્રશ્નકર્તા : હા, એટલે ચેન્જ થાય એ બરાબર. પણ ચેન્જ થાય ક્યારે ? જાગૃતિ આવ્યા પછી ચેન્જ થાય ને ?

દાદાશ્રી : જાગૃતિ આવી જ જાય, આ જ્ઞાન આપીએ પછી એને.

(સૂત્ર-૩)

ઊંચામાં ઊંચી સમાધિ કઈ ? સંપૂર્ણ જાગૃત. સંપૂર્ણ જાગૃતિ ક્યારે થાય ? અહંકારનો વિલય થાય ત્યારે. ક્યારેય પણ દુઃખ લાગે છે, તે પૂરેપૂરી જાગૃતિ નથી તેથી.

આ જ્ઞાનનો અર્થ શું છે ? જાગૃતિ. શુદ્ધાત્મા એ બીજી કોઈ વસ્તુ નથી, જાગૃતિ જ છે. હવે જાગૃતિ વધે, તે જાગૃતિ આપણને મહીં દુઃખ ઉત્પન્ન ના થવા દે, આપણને મહીં અહંકાર ઊભો ન થવા દે, એવું તેવું કશું થવા ના દે; પછી બીજું શું જોઈએ ? પછી તો આ ચંદુભાઈનું નાટક જોવાનું, ડ્રામા જોવાનો.

જાગૃતિ કોને કહેવાય ? પોતે પોતાથી ક્યારેય પણ કોઈ પણ સંયોગોમાં ક્લેશિત ના થાય, ત્યારથી જાગૃતિની શરૂઆત થાય. પછી બીજા ‘સ્ટેપિંગ’માં બીજાથી પણ પોતે ક્લેશિત ના થાય, ત્યારથી ઠેઠ સહજ સમાધિ સુધીની જાગૃતિ હોય. જો જાગ્યા તો જાગ્યાનું ફળ હોવું ઘટે. ક્લેશ થાય તો જાગ્યા શી રીતે કહેવાય ? કોઈને સહેજ પણ દુઃખ દે તો તે જાગૃત કેવી રીતે કહેવાય ? ક્લેશરહિત ભૂમિકા કરવી એને ઘણો મોટો પુરુષાર્થ કર્યો કહેવાય.

(સૂત્ર-૪)

પૂર્ણ જાગૃતિ થાય નહીં ત્યાં સુધી પોતે પોતાના સર્વ દોષો જોઈ શકે નહીં, ત્યાં સુધી નિર્દોષ થવાય નહીં. છેલ્લા પ્રકારની જાગૃતિ કઈ કે આ જગતમાં કોઈ દોષિત જ ના દેખાય !

મને જગત નિર્દોષ દેખાય છે. અમે કોઈનો દોષ ના કાઢીએ, પણ નોંધ કરીએ કે જુઓ, આ દુનિયા શું છે ! બધી રીતે આ દુનિયાને મેં જોયેલી, બહુ રીતે જોયેલી. કોઈ દોષિત દેખાય છે એ આપણી હજી ભૂલ છે. જ્યારે ત્યારે તો નિર્દોષ જોવું પડશે ને ? આપણા હિસાબથી જ છે આ બધું. આટલું ટૂંકું સમજી જાવ ને, તોય બધું બહુ કામ લાગે.

જાગૃત થયા એટલે બધી ખબર પડે, કે અહીં ભૂલ થાય છે, આમ ભૂલ થાય છે. નહીં તો પોતાને પોતાની એકુંય ભૂલ જડે નહીં. બે-ચાર મોટી ભૂલ હોય ને, તે દેખાય.

પોતાની ભૂલ જ દેખાય નહીં, પછી માણસ ભૂલોને ખોરાક જ આપે ને !

સંપૂર્ણ જાગૃતિ વર્તે, ત્યારે પોતાની એક પણ ભૂલ ના થાય. એક પણ ભૂલ થાય એ અજાગૃતિ છે. દોષ ખાલી કર્યા વગર નિર્દોષ ના થવાય અને નિર્દોષ વગર મુક્તિ નથી.

જાગૃતિથી પોતાના દોષો બધું જ દેખાય. જગત જાગ્રત જ નથી ને ઉઘાડી આંખે નિદ્રામાં ફરે છે. સામાના દોષ કાઢવા, એનું નામ જાગૃતિ નથી. એ તો અજ્ઞાનીને બહુ હોય. સામાના દોષ બિલકુલેય દેખાય નહીં. પોતાના દોષ દેખવામાં બિલકુલ નવરો પડે જ નહીં, એનું નામ જાગૃતિ.

પોતાનો દોષ દેખાય ત્યારે જાણવું કે જાગૃત થયો છે, નહીં તો ઊંઘમાં જ ચાલે છે બધા. દોષ ખલાસ થયા કે ના થયા તેની બહુ ચિંતા કરવા

(પા.૬)

જેવી નથી, પણ જાગૃતિની મુખ્ય જરૂર છે. જાગૃતિ થયા પછી નવા દોષ ઊભા થાય નહીં ને જૂના દોષ હોય તો તે નીકળ્યા કરે. આપણે એ દોષોને જુઓ કે કેવી કેવી રીતે દોષો થાય છે !

પોતાના દોષ દેખાય ત્યારે સમજવું કે મોક્ષે જવાની તૈયારી થઈ. જાગૃતિ વગર કોઈનેય પોતાનો દોષ દેખાય નહીં. સામાના દોષ કાઢવા હોય તો બસ્સો-પાંચસો કાઢી આપે ! જો આપણા દોષ કોઈને નુકસાન કરતા હોય તો ‘આપણે’ ‘ચંદુભાઈ’ને કહેવું, કે ‘પ્રતિક્રમણ કરો.’ કોઈને કિંચિત્માત્ર દુઃખ આપીને કોઈ મોક્ષે ગયેલો નહીં. રોજ કેરીનો રસ ને પૂરીઓ ખાતો હશે તો એનો વાંધો નથી, પણ આ દુઃખ આપીને મોક્ષે જાય એ બને નહીં. અહીં ‘શું ખાય છે, પીવે છે’, તેની ત્યાં કિંમત નથી. પણ ત્યાં તો કષાયનો જ વાંધો છે અને અજાગૃતિ ના રહેવી જોઈએ. જગતને ઊંઘતું કેમ કહેવાય છે ? કારણ કે ‘સ્વ-પર’નું ભાન નથી, પોતાનું સ્વનું ને પરનું, હિતાહિતનું ભાન નથી રહ્યું.

(સૂત્ર-૫)

જાગૃતિ તો કોને કહેવાય ? વિચાર આવતાં પહેલાં જ સમજાય કે આ તો જ્ઞેય છે ને ‘હું જ્ઞાતા છું’ !

પ્રશ્નકર્તા : દાદાએ તો કહ્યું છે ને, રાત્રે ‘હું શુદ્ધાત્મા છું’ બોલતા અને નિદિધ્યાસન કરતાં કરતાં સૂઈ જવું તો આખી રાત પેલો નળ ચાલુ રહે, તો એ કઈ જાગૃતિ ?

દાદાશ્રી : એ ખ્યાલ કહેવાય. ખ્યાલમાં રહે તોય સારું.

પ્રશ્નકર્તા : એથી આગળની સ્ટેજ એટલે આપ કહો છો એ જાગૃતિ ને ?

દાદાશ્રી : દીવો ઓલવાય નહીં. ફરી સળગાવવો ના પડે. મન શું બતાવે છે, એના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય ત્યાં સુધી જાગૃતિ લઈ જવાની છે. પછી એને લઈ જવી નહીં પડે ! એટલે જાગૃતિ કોને કહેવાય ? વિચાર આવતાં પહેલા જ સમજાય કે આ તો જ્ઞેય છે ને હું જ્ઞાતા છું.

પ્રશ્નકર્તા : દાદા, જાગૃતિ કોને કહેવી ? એટલે દાખલા તરીકે ક્રોધ થઈ ગયો, ચિડાઈ ગયા એ પ્રકૃતિની વાત થઈ. એ જ ક્ષણે ‘મને’ ખ્યાલ આવી જાય કે ‘ચંદુલાલે’ આ ક્રોધ કર્યો, એ જ જાગૃતિ કહેવાય ને ?

દાદાશ્રી : એ જ જાગૃતિ. ‘તમે’ જાણી ગયા.

પ્રશ્નકર્તા : હા, પણ એમાં જો મોડા પડ્યા તો એટલી જાગૃતિ ઓછી ?

દાદાશ્રી : મોડા પડ્યા એટલે આ કર્મનો ઉદય ચીકણો, એટલે વાર લાગી. કો’ક થૂંક્યો, એ જો મોળું હોય ને, તો તરત ધોઈ નાખીએ અને ચીકણું હોય તો વાર લાગે. ચીકણું કર્મ એટલી જાગૃતિ મોડી. જો ચીકણું ના હોય ને, તો કશું ના થાય. ભલે મોડી નીકળી પણ જાગૃતિ તો છે ને ! જાગતો છે ને ! જાગતો માણસ બોલે કે ‘અબે કૌન હૈ ?’ તો ચોર જતા રહે, પણ જ્યાં બોલે જ નહીં, ત્યાં તો સહુ લઈને જ જાય ને !

જો પોતાનો દોષ સમજાય નહીં અને પારકાના દોષ જ માલૂમ પડે એ અજ્ઞાનીની નિશાની. એ નિરંતર બંધાયા કરે અને એનો માર ખાયા કરે. અને જ્ઞાનીની નિશાની શું ? જ્ઞાની કૃપા કોણ પ્રાપ્ત કરી ગયો ? તરત જ પોતાના દોષ દેખાય એ જાગૃતિ હોય અને એમાંથી કેમ કરીને છૂટવું એ જ ભાવ નિરંતર રહે.

જાગૃત માણસ તો ગજબનો હોય. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એ અંતઃકરણના ચારેય

(પા.૭)

ભાગના દરેક કાર્ય વખતે હાજર રહે એનું નામ જાગૃતિ !

વીતરાગતા સુધીની જાગૃતિ હોય. જાગૃતિ મનને ચોંટવા જ ના દે, બુદ્ધિને ચોંટવા ના દે, કોઈને ચોંટવા જ ના દે કોઈ જગ્યાએ અને અજાગૃતિ ચોંટી પડે.

(સૂત્ર-૬)

મશીનરીનો સ્વભાવ જ એવો છે એ ઉપયોગ રહેવા જ ના દે. કારણ કે શરૂઆત જડભક્તિથી થઈને ! (અને)ચેતનની ભક્તિ એટલે ચેતન પ્રાપ્ત થયા પછી જ ચેતનની ભક્તિ થાય. ભક્તિથી આવરણ તૂટી જાય ને વધારે દેખાય. પોતે ‘ભક્તિ કોની કરે છે’ એના પર આધાર છે. ચેતન પ્રાપ્ત કરેલા પુરુષની-‘જ્ઞાની પુરુષ’ની ભક્તિ કરવાથી ચેતન પ્રાપ્ત થાય.

પ્રશ્નકર્તા : હવે આ જે જાગૃતિ છે, વ્યવહારમાં એ જાગૃતિ આખી આવરાઈ જાય બધી. કંઈ પ્રસંગ આવી પડે, તે વખતે જે તન્મયાકાર પરિણામ કહીએ ને, તેવું થઈ જાય.

દાદાશ્રી : મશીનનું કામ કરવામાં તો આત્મા જ જતો રહે. કારણ કે મશીનરીની ભક્તિ કહેવાય. મશીનરી હંમેશાં ભક્તિ માગે, તન્મયાકાર ભક્તિ, નહીં તો મશીનરીનો એક નટ ફીટ ના થાય.

આ મશીનરી રીપેર કરવા જવાનું હોય, તે મશીનરીઓના તને પાર્ટ યાદ આવે ને, એ બધુંય એનું યાદ આવ્યું. તે આમ મહીં ચાલ્યા કરતો હોય ઉપયોગ, તે એની મહીંનું બીજી જગ્યાએ જતું રહે, ત્યારે પેલો ઉપયોગ બગડે બધો.

તેથી અમે મશીનરીને નાનપણથી જ અડતા ન હતા. સાયકલને પંક્ચર પડ્યું હોય તેય હું બહાર કરાવી લેતો હતો. એમાં મારું ધ્યાન જાય તો મારું બધું બગડી જાય. નટેય ફેરવતો ન હતો. મને આવડતું નથી, એવું કહી દઉં. પૈસા આપીને કરાવી લઈએ આપણે. હજુ એક બાજુ મશીનરી રિપેર કરું છું, તે ઘડીએ શું થાય છે એક કલાક ? આત્મા એમાં જ રહે પછી, નહીં ? કારણ કે ભક્તિ કહેવાય છે એને.

પ્રશ્નકર્તા : મારું કેવું હોય છે કે આખો વખત આપની જ સેવામાં હોઉં એટલે આત્મા યાદ ના આવે, આજ્ઞા યાદ ના આવે.

દાદાશ્રી : એ તો આ તમારે યાદ ના રહે તો વાંધો નહીં. આ દાદાની સેવા તો, આ તો ગજબની વસ્તુ કહેવાય. એને આત્મા યાદ રાખવાની જરૂર જ નથી.

પ્રશ્નકર્તા : દાદા જ યાદ રહે તે વખતે પછી.

દાદાશ્રી : પણ ભક્તિ શેની થાય છે એ જોવાની જરૂર છે. આત્મા યાદ રહે કે ના રહે, એ તો મેં લક્ષ આપેલું છે, એટલે તમને જ્યારે ત્યારે લક્ષ આવીને ઊભું રહેશે, પણ એ છે તે ભક્તિ કોની છે એ જોવાનું. જેની ભક્તિ કરો ને, તે રૂપ થયા કરે.

પ્રશ્નકર્તા : તો તો બહુ ઊંચું જ છે, દાદા.

દાદાશ્રી : હા, તે ઊંચું છે તેથી કહું છું ને આ બધાને કે ભઈ, આ ઊંચું તમને મળી આવ્યું છે. તમારી પુણ્યૈ જાગી છે. પુણ્યૈ કો’કની જાગે ને ? હું સેવા આપું એવો માણસ નથી. સેવા આપું એવો કાચો માણસ, બિલકુલેય નહીં. આ પગ ભાંગ્યો ને, એટલે આ નીરુબહેનને સેવા આપવાનું બન્યું. નહીં તો હું આપું નહીં. કોઈનીય સેવા મેં જિંદગીમાં નથી લીધી.

અને તું તો મશીનની ભક્તિ કરું છું. જેની ભક્તિ કરું તે રૂપ થાય. શ્રુતજ્ઞાનની ભક્તિથી

(પા.૮)

જાગૃતિ એકદમ થઈ અને અજવાળું થઈ ગયું. આ મશીનની ભક્તિથી અજવાળું પાછું બંધ થઈ જાય. ભક્તિ શાની કરે છે એ જોવાનું. આત્માનો સ્વભાવ જેની ભક્તિ કરે ને, તેવો થઈ જાય. તેથી કહું ને, નીરુબેનની પુણ્યૈ બહુ જ મોટી જાગી છે. એવું કહું છું તે લોકોને શાથી કહું છું ? નહીં તો કહુંયે નહીં ને લોકોને !

પ્રશ્નકર્તા : દાદા, મનેય આજે વધારે સમજાઈ એ પુણ્યૈ !

દાદાશ્રી : તને સમજાય છે, જોખમ શેમાં છે ને જોખમ શેમાં નથી એવું ? શેની ભક્તિ કરી તેથી આ અજવાળું થઈ ગયું ? જેવો ચિંતવે ને, આત્મા તેવો થઈ જાય. આત્માનું મૂળ લક્ષણ એ કે જેવું ચિંતવે, જેની ભક્તિ કરે તે રૂપ થાય. તેથી બધાને કહું છું ને કે જ્ઞાની પાસે પડી રહેવાનું.

જોયું શ્રુતજ્ઞાનનું ફળ કેવું મળ્યું છે ?

પ્રશ્નકર્તા : બહુ સુંદર !

દાદાશ્રી : મહીં ચોખ્ખું, બીજી કશી ઈચ્છાઓ નહીં બહુ ને શ્રુતજ્ઞાન ભેગું થયું.

પ્રશ્નકર્તા : એ તો મુખ્ય કારણ ને, દાદા. સંજોગો બધા મળી આવ્યા.

દાદાશ્રી : વ્યવહાર વસમો છે ને પણ. એ મિકેનિકલ થતો હતો ત્યાંથી જ સમજી ગયો હતો કે આનો વ્યવહાર બરોબર સારો ના કહેવાય. ખુશેય થાય કે મેં કેવું સરસ મશીન ગોઠવી દીધું ! એટલે મહીં છૂપો કર્તાભાવ રહે. મશીન ગોઠવ્યા પછી ખુશ ના થાય માણસ ?

પ્રશ્નકર્તા : થાય ને, દાદા.

દાદાશ્રી : એ ચાલુ નથી થતું તો પાછો ટાઢો પડી જાય. આમ ગર્વરસ છે ને હજુ. એટલે આ બહુ ઝીણી બાબતો આમને લક્ષમાં ના આવે. એને તો રાત-દહાડો સત્સંગમાં પડી રહે તો કામ હેંડે. અક્રમ જ્ઞાન એટલે એનું આરાધન પદ્ધતિસર હોવું જોઈએ. છતાંય એની આ જે સ્વરૂપની જાગૃતિ એ હિસાબે તો એને ઉપયોગ કહેવાય. અમે ઉપયોગ કહીએ એને. હવે મશીનરીનું આ કામ આવ્યું એ કામ, તેની સાથે જ એ ઉપયોગ રહે તો એ કામ કાઢી નાખે.

(સૂત્ર-૭)

આ આત્માની શક્તિ એવી છે કે દરેક વખતે કેમ વર્તવું, તે બધો ઉપાય બતાવી દે ને તે પાછું કદી ભૂલાય નહીં. આત્માની તો અનંત શક્તિ છે. જેટલી બાજુએ શક્તિ ફેરવવી હોય તેટલી બાજુએ ફરે તેમ છે ! એને ફેરવનાર જોઈએ. કરોડો બાજુએ ફેરવી શકાય !

પ્રશ્નકર્તા : આમ કંઈક આત્માની, વિજ્ઞાનની વાત નીકળે ત્યારે એકદમ મહીં, ‘આ ગજબ વાત નીકળી !’ એવું થાય. બાકી બીજી બાબતમાં આવું કંઈ કૂદવા-બૂદવા, મહીં કંઈ ઉમળકો ના એવો ઊભો થાય. આમ આનંદ હોય, પણ જે આમ જાગૃતિ કહીએ અથવા એ વખતે જે દર્શન ઊભું થયેલું કહીએ, આ જાગૃતિ વધતાં વધતાં અમુક લિમિટ સુધી આવી એટલે આટલે સુધી આવીને અટકે. આટલું આત્મા સંબંધીનું કંઈક દાદાનું પકડાઈ ગયું કૃપાથી, પણ બીજા કોઈ પ્રકારના આમ વ્યવહારમાં રીવોલ્યુશન (સમજના આંટા) ખુલવા જોઈએ, એ નથી ઊભું થતું.

દાદાશ્રી : તારે વ્યવહારિક બહુ નહીં ને ! પણ હજુ એ શક્તિ હવે ઊભી થશે. આત્મવીર્ય જ નથી ને ! આત્મવીર્ય પ્રગટ થતું નથી. એવું છે ને, તારું મન આટલુંય વ્યવહાર સહન કરવાની શક્તિ ધરાવતું નથી, એટલે ભાગે છે, ભાગીને એકાંતમાં પેસી જવા ફરે છે. પણ આ દર્શન પ્રગટ

(પા.૯)

થયું એટલે ‘પોતાની’ ગુફામાં પેસી જતાં તને આવડ્યું, નહીં તો તો વેષ થઈ પડત !

પ્રશ્નકર્તા : આપે જે કહ્યું કે આત્મવીર્ય પ્રગટ નથી થયું, તો આત્મવીર્ય શેનાથી પ્રગટ થાય ?

દાદાશ્રી : આત્મવીર્ય પ્રગટ થાય ત્યારે એ વાત જ જુદી છે ને !

પ્રશ્નકર્તા : એ શું કહેવાય ? આત્મવીર્ય પ્રગટ થાય એટલે એમાં શું હોય ?

દાદાશ્રી : આત્માની શક્તિ બહુ વધે.

પ્રશ્નકર્તા : તો આ જે દર્શન છે, જાગૃતિ છે, એ અને આત્મવીર્ય એ બેનું કનેક્શન શું ?

દાદાશ્રી : જાગૃતિ એ આત્મવીર્યમાં ગણાય. આત્મવીર્યનો અભાવ એટલે વ્યવહારનું સોલ્યુશન ના કરે, પણ વ્યવહાર ખસેડીને ઊંચો મૂકી દે. આત્મવીર્યવાળો તો કહેશે, ગમે તે આવો ને ! એ ગૂંચાય નહીં. પણ હવે એ શક્તિઓ બધી ઉત્પન્ન થશે !

પ્રશ્નકર્તા : એ શક્તિઓ બ્રહ્મચર્યથી ઊભી થાય ?

દાદાશ્રી : હા, બ્રહ્મચર્ય સારી રીતે પળાય ત્યારે અને સહેજ લીકેજ ના થવું જોઈએ. આ તો શું થયું છે કે વ્યવહાર શીખ્યા નથી અને એમને એમ આ બધું હાથમાં આવી ગયું છે !

(સૂત્ર-૮)

‘જોવું’ ને ‘જાણવું’ એ બેઉ ચેતનના ગુણો છે અને ‘કરવું’ એ પુદ્ગલના ગુણો છે. જે કરે તે જાણે નહીં ને જાણે તે કરે નહીં. કર્તાભાવ ને દ્રષ્ટાભાવ બે જુદા છે. આત્માનો બીજો કંઈ પુરુષાર્થ નથી. જ્ઞાતા દ્રષ્ટા જ એનો પુરુષાર્થ છે ને પરમાનંદ એનું પરિણામ છે.

પ્રશ્નકર્તા : આપ સત્સંગમાં થોડી થોડી વારે જુદા પાડવાનો પ્રયોગ કહેતા જ હો છો.

દાદાશ્રી : મુખ્ય વસ્તુ જ એ છે ને !

પ્રશ્નકર્તા : મન કશું બતાડે તો મનને કહી દેવું કે તારું નહીં ચાલે. એટલે મન સાથે વાત કરી કે છૂટું પડી જ જાય.

દાદાશ્રી : હા, છૂટું પડી જ જાય અને આ દેહને ‘ફાઈલ નંબર વન’ કહ્યું તોય છૂટું પડી જાય.

પ્રશ્નકર્તા : આ જે જુદાપણાનો પ્રયોગ છે આપનો, તે કેવી રીતે હોય છે ? આપને એ સહેજે એક્ઝેક્ટ (યથાર્થ) જુદું દેખાયા કરે ?

દાદાશ્રી : દેખાય એ તો. આ પુદ્ગલભાગ અને આ ચેતનભાગ, એ રીતે બધું ઓળખાય જ. એવી જાગૃતિ હોય. દૂધીનું શાક કરવું હોય તો જાગૃતિ હોય કે છોડાં જુદાં કાઢી નાખવાના, ડીટું જુદું કાઢી નાખવાનું. પછી સમારી દે હડહડાટ ! એવું અમને જડ-ચેતનનું જુદું જ રહે !

જ્ઞાતા-દ્રષ્ટા રહેવું એટલે શું કે ચંદુભાઈ શું કરે એ તમે જાણ્યા કરો.

તમે શુદ્ધાત્મા અને આ ચંદુભાઈ, તમે બે થયા. એકના બે થયા. હવે તમારે ચંદુભાઈની દેખરેખ રાખવાની, પાડોશીની પેઠે અને ચંદુભાઈને મુશ્કેલી આવી જાય તો આપણે ચંદુભાઈનો ખભો ઠોકી આપવો કે અમે છીએ ને તમારી જોડે. પહેલાં એકલા હતા, નોધારાં હતા, હવે સાધાર થયા.

પ્રશ્નકર્તા : હવે કોઈ બોલાવે તો પછી બોલવું કે નહીં ?

દાદાશ્રી : એ તો બોલવાનું. વ્યવહારથી બધું કરવાનું, આપણે જાણ્યા કરીએ. આપણે કહેવું, ‘ચંદુભાઈ, આ ભઈ જોડે જરા બોલો હવે, વાતચીત કરો ને કંઈક.’ એટલે એ બોલેય ખરા. અને

(પા.૧૦)

વ્યવહાર ચાલ્યા કરે. તમારે ‘જોયા’ કરવાનું. પેલાને ખબર ના પડે, આપણે શું કરીએ છીએ ! પણ તમે એને ‘જોયા’ કરો, ચંદુભાઈ શું કરે છે તે ! જ્ઞાતા-દ્રષ્ટા ! બન્નેના સ્વભાવ જુદા થયા. હવે આત્મા આત્માના સ્વભાવમાં રહેશે અને પુદ્ગલ પુદ્ગલના સ્વભાવમાં રહેશે. પોતપોતાના ગુણધર્મમાં રહે છે.

(સૂત્ર-૯)

અરીસામાં મોઢું જોશો ને, તે ચંદુભાઈ દેખાય. પછી આપણાથી બોલાય ખરું કે ‘ચંદુભાઈ, તમે તો બહુ સારા છો. બહુ ડાહ્યા દેખાવ છો.’ એવું બધું બોલાય આપણાથી. આપણે એની જોડે વાતો કરીએ એટલે પછી એ સો ટકા છૂટાપણું છે એનો અનુભવ થાય.

પ્રશ્નકર્તા : આપે બહુ વર્ષો પહેલાં કહેલું કે જાત જોડે વાતચીત કરજો ! બહુ શક્તિ વધી જશે. તે એ વાતચીતનો પ્રયોગ બહુ ઊંચામાં ઊંચી વસ્તુ છે. આટલું આપણું અક્રમ વિજ્ઞાનનું જે કહીએ ને, આ જુદા પડવાની પ્રક્રિયાની આખી આધાર જેવી વસ્તુ છે આ.

દાદાશ્રી : આપણે કહીએ, ‘તારે બહુ ચા પીવી સારી નહીં.’ ત્યારે કહે, ‘ના, પીવી છે.’ ‘તો પીઓ પછી.’ વાતચીત કરી, જુદાપણાનો લાભ લઈએ આપણે.

પ્રશ્નકર્તા : બરોબર છે. અને આવી વાતચીતથી બહારની નિર્જરા તો એની મેળે થવાની જ. આ ઉપયોગપૂર્વક કહેવાય ને આખું ? આખું આમ એટલે બહાર માંદગીની અસરો હોય, વિકનેસ (નબળાઈ) હોય તોય અંદર વાતચીત ચાલુ જ રહેવાની.

દાદાશ્રી : એ તો જુદેજુદી રહેવાની.

પ્રશ્નકર્તા : એ વખતે આપ શું વાત કરો ?

દાદાશ્રી : બધી જ. એ તો જેમ છે એમ જ.

પ્રશ્નકર્તા : એટલે પૂછો આપ અંદર ? કેમ લાગે છે તબિયત, પૂછો એવું બધું કરો ?

દાદાશ્રી : આ ભઈ કહે કે દાદા, હવે રૂમમાં મહીં થોડું ચાલો, ફરો. તો ફરે, તે ઘડીએ હું જોતો રહું કે ‘ઓહોહો ! કેવા દેખાય છે ! શું વેશ તમારા થયા છે ! આ તમે ચાલો છો તે ઉપર મને હસવું આવે કે આ વેશ તો જુઓ ! કોઈને અડવા ના દે એવા માણસ, તે તમને હાથ ઝાલીને ફેરવવા પડે છે !’

પ્રશ્નકર્તા : એટલે આમાં પેલું કોઈને અડવા ના દે, એ જ તમે. હાથ ઝાલીને ચાલો છો, એ જ તમે ! બધું આખું જુદું પડી જાય. આમાં આખો અહંકાર ના રહે, માલિકીભાવ ના રહે. બધું જ ઊડી જાય આખું !

દાદાશ્રી : અમે છૂટ આપીએ એને કે જે કરવું હોય, એને પછી અમે જરા આવી ગમ્મત કરી લઈએ કે ‘ઓહોહો ! તમને તો કશું અડતું જ નથી ને ! હવે તો તમે આખા ભગવાન થઈ ગયા લાગો છો ને !’ તો કહે, ‘ના, તમે ભગવાન છો, ભગવાન હું નહીં !’

પ્રશ્નકર્તા : બરોબર. આપ કહો છો કે અમે વાણીના જ્ઞાતા-દ્રષ્ટા, વાણીને ‘જોયા’ કરીએ કે શું નીકળે છે એ, તો એક્ચ્યુલી અંદર આવી રીતે કહો, અંદર આવી રીતે વાત કરો, એવું કંઈક ને ?

દાદાશ્રી : એવું જોતાં શીખો. તું ચંદુભાઈને ‘જોતાં’ શીખ.

પ્રશ્નકર્તા : હા, પણ એ ‘જોતાં’ શીખવું એટલે આવી રીતે વાત કરવાનીને અંદર ?

દાદાશ્રી : વાત કરીએ તો ‘જોવાનું’ વધારે

(પા.૧૧)

શીખાય. ઈન્ટરેસ્ટ પડતો જાય એટલે જુદા તરીકે રહેવાનો ભાવ થતો જાય અને છે જ જુદા એટલા બધા !

પ્રશ્નકર્તા : આવી રીતે બોલવાથી ખરેખર એ જુદાપણાનો વ્યવહાર શરૂ થઈ જાય છે.

દાદાશ્રી : એ ગમ્મત કરવાથી, મશ્કરી કરવાથી, જોવાથી જુદાપણું થઈ જાય. હું તો એવું હઉ કહું ને, ‘કેમ છો ? મજામાં છો ને ? અંબાલાલભાઈ, લહેરમાં આવ્યા છો, કંઈક લાગે છે !’ એટલે અમે ફ્રેશ રહી શકીએ ને ! તે અમે આખો દિવસ ફ્રેશ રહીએ છીએ, તે આટલું કામ કરે છે.

(સૂત્ર-૧૦)

શુદ્ધાત્માનું સામ્રાજ્ય હોય ત્યાં કશું આઘુંપાછું થાય નહીં. પેટમાં પાણીય હાલે નહીં. તાવ આવે, દેહ જવાનો થાય, દેહ રહેવાનો થાય તોય મહીં હાલે નહીં. કશી ડખલ જ નહીં. પોતાનું શું જવાનું ? જાય તો પાડોશીનું જાય ! ‘ચંદુભાઈ’ શું કરી રહ્યા છે એને ‘તમારે’ જોવું’, એનું નામ ‘પુરુષાર્થ.’

તમારા હવે ઘર બદલાયા. તમારો વિભાગ શુદ્ધાત્મા વિભાગ અને આ છે તે ચંદુભાઈનો વિભાગ. તે તમારે બન્ને વિભાગમાં ધ્યાન રાખવાનું. હવે મન એ ચંદુભાઈના વિભાગમાં ગયું. હવે એ મનનો ઉપયોગ તમારે નહીં કરવાનો. મન જે કરતું હોય તે, ઝાવાદાવા કરતું હોય કે ગમે તે, જોયા કરવાનું. ખરાબ મન હોય ને ચંદુભાઈ કંટાળે, તો પછી પાછળથી આપણે ખભો થાબડી આપવાનો કે અમે તમારી જોડે છીએ, ગભરાશો નહીં. આપણો કોઈ ખભો ઠોકનાર મળે નહીં આ દુનિયામાં, આપણે જાતે ઠોકીએ તો જ, આપણે શુદ્ધાત્મા ભગવાન છીએ. પહેલાં કોઈ કહેનારું જ ન્હોતું ને ! ખભો થાબડનાર કોઈ હતું નહીં ને !

આ આપણો ઉપયોગ શુદ્ધ કહેવાય. કોઈ ના હોય ત્યારે આપણે પૂછવું કે ‘ચંદુભાઈ, આજે તમે સારું કર્યું.’ અને બીજે દહાડે જરા ચિડાયો હોય તે કહેવું કે ‘ભઈ, આવું આ ચિડાવું સારું ના કહેવાય. માટે પ્રતિક્રમણ કરો.’ બને કે ના બને એવું ? બસ, એટલું જ કરવાનું છે આપણે. તમે ઓળખો કે ના ઓળખો ફાઈલ નંબર વનને ?

પ્રશ્નકર્તા : હા, બરાબર. દાદા પાસે આવ્યા પછી એ પાડોશીને બરાબર ઓળખીએ.

દાદાશ્રી : નાનપણથી ઓળખો ? એમનું જીવનચરિત્ર પહેલેથી બધું જાણો કે ના જાણો ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : તો પછી તમારે એમને કહેવું કે ‘ભઈ, હવે આમ નહીં ચાલે. હવે આમ ચાલો. અત્યાર સુધી તો અમે સૂઈ રહ્યા હતા, તે ચાલી ગયું તમારું. પણ હવે અમે જાગીએ છીએ. તે જાગ્યા, તે ચાલો અમારે પાછલો દંડ કરવો નથી તમને, પણ હવે જાગ્યા છીએ તો અમારી મર્યાદા રાખો.’ તો એ એવી સરસ મર્યાદા રાખશે, ખરેખરી મર્યાદા રાખશે. આ તો એવું છે કે કહેનાર જોઈએ. કારણ કે આપણી હાજરીમાં આપણે ઘેર એ બધાએ ખાધું. એ પછી એ આપણા ના થાય તો કોના થવાના છે ?

(સૂત્ર-૧૧)

જાગૃતિને અમુક જગ્યાએ નક્કી કરવું, એનું નામ ઉપયોગ. ‘શુદ્ધ ઉપયોગ’ કોને કહેવાય છે કે જે શુદ્ધ આત્માને અંગે જ ઉપયોગ ગોઠવો તે ! ઉપયોગ એ જાગૃતિ ગણાય.

પ્રશ્નકર્તા : ઉપયોગ અને જાગૃતિ એ બે સમજાવો.

દાદાશ્રી : જાગૃતિને અમુક જગ્યાએ નક્કી

(પા.૧૨)

કરવી એનું નામ ઉપયોગ. જાગૃતિ બીજામાં ના પેસી જાય, જેમ કે સંસારમાં નફા-ખોટમાં કે એક જ જગ્યાએ જાગૃતિને નક્કી રાખે તે ઉપયોગ ! જ્યાં જાગૃતિ વર્તે તે ઉપયોગ; પણ એ ઉપયોગ શુભાશુભનો ઉપયોગ કહેવાય. અને શુદ્ધ ઉપયોગ કોને કહેવાય કે જે શુદ્ધાત્માને અંગે જ ઉપયોગ ગોઠવેલો હોય. ‘જ્ઞાની પુરુષ’ની આજ્ઞામાં ઉપયોગ રહ્યો, ‘રિયલ’-‘રિલેટિવ’ જોતા જોતા ચાલે તો જાણવું કે છેલ્લી દશા આવી ગઈ. આ તો રસ્તામાં ડાફોળિયાં મારે કે ‘સ્ટીલ ટ્રેડિંગ કું, ફલાણી કંપની, જો આ કેવું છે !’ આમ બીજા ઉપયોગમાં રહે તે અશુભ ઉપયોગ કહેવાય ને ઉપયોગ ધર્મને માટે હોય તો સારો. અને શુદ્ધ ઉપયોગની તો વાત જ જુદી ને !

પ્રશ્નકર્તા : ઉપયોગ અને જાગૃતિ એ બે વચ્ચે શું ડિફરન્સ (તફાવત) ?

દાદાશ્રી : ડિફરન્સ તો આ લાઈટ સળગ્યા કરતી હોય, આપણે કશું કામ ન કરીએ અને ઊંઘ્યા કરીએ, તો લાઈટ નકામી જાય ને ! અને આ લાઈટનો પ્રકાશ હોય એ જાગૃતિ જ છે, પણ વાંચીએ તો ઉપયોગ કર્યો કહેવાય.

પ્રશ્નકર્તા : એટલે જાગૃતિને એક જગ્યા નક્કી કરવી, એનું નામ ઉપયોગ ?

દાદાશ્રી : જાગૃતિ તો હોય જ, જ્ઞાન આપીએ એટલે. એનું કામ કરી લેવું. જાગૃતિ તો વહી જાય એમ ને એમ, ઉપયોગ કરીએ તો કામ લાગે. ઈલેક્ટ્રિસિટી છે જ મહીં, એનું નામ જાગૃતિ, પણ બટન દબાવીએ તો અજવાળું થાય ને ! આ બટન દબાવીએ તે ઉપયોગ, નહીં તો ગરમીમાં આમ આમ હાથે કરીને પંખા ફેરવે. અલ્યા, બટન દબાય ને ! ઉપયોગ કર ને !

પ્રશ્નકર્તા : જાગૃતિથી ઉપયોગ રહે કે ઉપયોગથી જાગૃતિ રહે ?

દાદાશ્રી : ના, જાગૃતિથી ઉપયોગ રહે અને ઉપયોગ હોય તો ફરી જાગૃતિ ઉત્પન્ન થાય.

પ્રશ્નકર્તા : આ તો મરઘીમાંથી ઈંડું અને ઈંડામાંથી મરઘી ?

દાદાશ્રી : નહીં, પણ એ ઉપયોગ એવી વસ્તુ નથી. જાગૃતિ જ મુખ્ય વસ્તુ છે અને એ જાગૃતિ સંપૂર્ણ થઈ, એનું નામ કેવળજ્ઞાન છે. બીજું કશું છે નહિ. ઉપયોગ તો જાગૃતિનું પરિણામ છે. શુદ્ધ ઉપયોગ જાગૃતિનું પરિણામ છે અને શુભ ઉપયોગેય જાગૃતિનું પરિણામ છે. પણ એ ભ્રાંતિની જાગૃતિ હોય અને આ જ્ઞાન જાગૃતિ હોય.

જાગૃતિને ટોપ પર લઈ જવી એ આપણો ધર્મ, એનું નામ શુદ્ધ ઉપયોગ.

(સૂત્ર-૧૨)

‘શુદ્ધ ઉપયોગ’ એટલે ‘પોતે’ જ્ઞાતા-દ્રષ્ટા હોય પણ જુએ શું ? શુદ્ધ વ્યવહાર જુએ ! નિરંતર પોતાનું ‘શુદ્ધ’ જુએ અને બીજાનું ‘શુદ્ધ’ જુએ, તે શુદ્ધ ઉપયોગ !

પ્રશ્નકર્તા : શુદ્ધ ઉપયોગ કઈ રીતે કરવો ?

દાદાશ્રી : ચંદુલાલ શું કરી રહ્યા છે, એને જોયા કરવું અને જાણ્યા કરવું એ શુદ્ધ ઉપયોગ કહેવાય. એટલે પોતાની પ્રકૃતિને નિહાળવી, એનું નામ શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ એટલે એ તો નિરંતર જાગૃત. બીજા કશામાં પડે જ નહીં. ખાય ખરા પણ ખાવામાં પડે નહીં, કશામાં. બધાંને એટલું બધું જ્ઞાન ના રહે પણ અમુક રહે ને, તોય બહુ થઈ ગયું ! ‘ચંદુભાઈ શું કરે છે’ એને તમે જુઓ ને, તોય બહુ થઈ ગયું ! ચંદુભાઈ ખાવામાં રહેતા હોય તેને તમે જુઓ, તોય તમે ઘણા આગળ ચાલ્યા. આપણે અહીંયા જ્ઞાન લીધેલું હોય તે બધા શુદ્ધ ઉપયોગ રાખે. અને શુદ્ધ

(પા.૧૩)

ઉપયોગ એટલે શું ? તે ‘ચંદુભાઈ શું કરી રહ્યા છે, ચંદુભાઈનું મન શું કરી રહ્યું છે’ એ બધાંને વિગતવાર જાણવું.

જેમ સિનેમામાં બેઠેલા માણસને ફિલમ અને પોતે, બન્નેને વિગતવાર જાણે છે કે નથી જાણતા ? એટલું વિગતથી એ જાણે ત્યારે એ શુદ્ધ ઉપયોગ કહેવાય. દ્રષ્ટા અને દ્રશ્ય એટલા બધા છેટાં હોય ત્યારે એ શુદ્ધ ઉપયોગ કહેવાય.

હવે તેમાં શુદ્ધ ઉપયોગની શરૂઆત કેવી થાય ? ત્યારે જેમ કોઈ ધોલ મારતો હોય આપણને તે ઘડીએ તમને દેખાય, કે ‘અહોહો ! ચંદુભાઈ જેવા સારા માણસને પણ આ ધોલ મારે છે !’ તમને દેખાય છતાં તમે માનો કે ભોગવે છે ચંદુભાઈ, માટે ભૂલ તો પોતાની જ ને ! આ બધું તમને એક્ઝેક્ટ દેખાય અને એ સામો માણસ શુદ્ધ દેખાય, એ શુદ્ધ જ છે. તમે જેવા શુદ્ધ છો, એવો એ શુદ્ધ જ છે. ભલે એણે જ્ઞાન નથી લીધું, પણ એ શુદ્ધ જ છે. એને જો અશુદ્ધ માનશો તો તમારો ઉપયોગ બગડ્યો. ત્યારે તમે કહો, ‘એ આત્મા તો શુદ્ધ છે, પણ બહારનો ભાગ ? બહારનો ભાગ તો આનો ખરાબ જ છે ને ?’ ત્યારે અમે કહીએ, ‘ના, તમારા માટે એ ખરાબ નથી, એના માટે ખરાબ છે.’ ત્યારે તમે કહો, ‘હવે સાહેબ, એમાં કંઈ ન્યાય બતાવો. કેમ અમારે માટે ખરાબ નહીં હોય ? ધોલ મારે છે વળી પાછો. રાજી થઈને મારે છે.’ ત્યારે અમે કહીએ, ‘એ એના પોતાના માટે ખરાબ છે, પણ તમારા માટે ખરાબ નથી એ. કારણ કે તમારે સમજી લેવું જોઈએ કે આ કર્મના ઉદયે મારી રહ્યો છે. કોનું કર્મ ? જેને વાગે છે ધોલ, તેનું કર્મ. તો પછી એનો શો દોષ ?’ કહો ! રીત હશે ને ? એવું નિર્દોષ જુએ ત્યારે શુદ્ધ ઉપયોગ ! આપણને ગાળો ભાંડતો હોય તે ઘડીએ નિર્દોષ દેખાય, ત્યારે શુદ્ધ ઉપયોગ !

આપણા હાથમાંથી હજાર રૂપિયાનું પાકીટ એ લઈ લે તો આપી દેવું એવો મત નથી. વખતે એ ચંદુભાઈ એને ધોલ મારીને પાછું લઈ લે, એય વાંધો નથી. પણ તમારે આ બધું સીન ‘જોવો’ જોઈએ. ધોલ મારે ને ગમે તે નાક દબાઈને લઈ લે, પણ આપણે ચંદુભાઈને જાણવું જોઈએ કે ચંદુભાઈએ શું કર્યું અને પેલાએ શું કર્યું ? છતાંય એનામાં અશુદ્ધતા ના દેખાવી જોઈએ, બસ એટલું જ, આનું નામ શુદ્ધ ઉપયોગ !

પ્રશ્નકર્તા : ફક્ત આ જોવું ને જાણવું એટલું રહે, એને જ શુદ્ધ ઉપયોગ કહેવાય ?

દાદાશ્રી : હા, એ જ શુદ્ધ ઉપયોગ. મહીં ખરાબ વિચાર આવ્યા કે આમ કરો, તેમ કરો, કુસંગના વિચારો આવ્યા, તે શું આવ્યા તે આપણે જોઈએ અને જાણીએ. એટલે આપણે ફરજ બજાવી દીધી. અને તન્મયાકાર થયા કે મરી ગયા ! જોવા-જાણવાનો અર્થ શું કે તન્મયાકાર ના થવાય.

પ્રશ્નકર્તા : જોવું-જાણવું અને જાગૃતિ વચ્ચે શો ફરક ?

દાદાશ્રી : જોવું-જાણવું અને જાગૃતિ બે જુદી વસ્તુ છે. જોવું-જાણવું એ તો કરેક્ટનેસ છે અને જાગૃતિ તો વધ-ઘટ થાય. એ આવરણના આધીન છે. હમણે જો કદી દૂધપાક ખાધો હોય તો જાગૃતિ ડૂલ (મંદ) થઈ જાય અને ભૂખ્યા રહ્યા હોય તો જાગૃતિ વધી જાય. દૂધપાક ખઈ જોજો ને એક દહાડો, જાગૃતિ કેટલી રહે છે ખબર પડશે, દૂધપાકથી ?

(સૂત્ર-૧૩)

ઉપયોગ ઉપયોગમાં રહ્યો તે કેવળજ્ઞાન.

મેં જે જ્ઞાન આપ્યું, તે તમને દર્શનમાં પરિણામ પામ્યું. હવે જ્ઞાન છે તે અમારી જોડે બેસશો તેમ તેમ તેટલા અંશે વધતું જશે, તેમ શુદ્ધ

(પા.૧૪)

ઉપયોગ ઉત્પન્ન થશે. જેટલો શુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થયો એટલું જ્ઞાન છે. એ શુદ્ધ ઉપયોગ સંપૂર્ણ વર્ત્યો નિરંતર, એનું નામ કેવળજ્ઞાન ! સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ તે કેવળજ્ઞાન કહ્યું છે. એને શુદ્ધ ઉપયોગમાંથી કેવળજ્ઞાનના બીજ રોપાયા, અંશ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એ સર્વાંશ થતા ટાઈમ લાગે, સૌ-સૌના પુરુષાર્થ પ્રમાણે. જે અમારી આજ્ઞામાં રહે એને સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે.

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે અમારે ઉપયોગ ઉપયોગમાં રહે, એટલે એમાં બે ઉપયોગ થયા તો કયો ઉપયોગ કયા ઉપયોગમાં રહે ?

દાદાશ્રી : પહેલો ઉપયોગ એટલે જે શુદ્ધ ઉપયોગ છે તે. એ ઉપયોગ એટલે પોતાની જાતને શુદ્ધ જોવી, બીજાને શુદ્ધ જોવા, આજ્ઞામાં રહેવું એ બધું શુદ્ધ ઉપયોગ કહેવાય અને એ શુદ્ધ ઉપયોગની ઉપરેય ઉપયોગ રાખે કે શુદ્ધ ઉપયોગ કેવો વર્તે છે, એ કેવળજ્ઞાન કહેવાય. પહેલો શુદ્ધ ઉપયોગ કહેવાય ને ઉપયોગ ઉપયોગમાં એ કેવળજ્ઞાન છે.

પ્રશ્નકર્તા : એ ઉપયોગ જ્ઞાન સ્વરૂપ કહેવાય ?

દાદાશ્રી : શુદ્ધ ઉપયોગ જ્ઞાન સ્વરૂપ કહેવાય અને ઉપયોગ ઉપયોગમાં એ વિજ્ઞાન સ્વરૂપ કહેવાય, કેવળજ્ઞાન સ્વરૂપ કહેવાય. શુદ્ધ ઉપયોગની જે જાગૃતિ છે તેની ઉપરેય જાગૃતિ એ કેવળજ્ઞાનની જાગૃતિ છે, છેલ્લી જાગૃતિ છે. ‘જ્ઞાની’ની જાગૃતિ એ શુદ્ધ ઉપયોગ કહેવાય અને તેના ઉપરની જાગૃતિ એ કેવળજ્ઞાનનો ઉપયોગ કહેવાય. અમને જાગૃતિ પરની જાગૃતિ રહે, પણ જેવી તીર્થંકરની રહે એટલી બધી ના રહે.

પ્રશ્નકર્તા : અંતઃકરણની ક્રિયામાં જે વખતે ઉપયોગ રહે છે, જ્ઞેય-જ્ઞાતા સંબંધ રહે છે, તે વખતે પોતે જ્ઞાતા ને અંતઃકરણ જ્ઞેય રહે, એમાંય પાછું કેવળજ્ઞાનમાં ઉપયોગ રહે ?

દાદાશ્રી : આ જ્ઞેય-જ્ઞાતા સંબંધના ઉપયોગને પેલો ઉપયોગ ‘જાણે’ કે કેટલો ઉપયોગ કાચો પડ્યો, કેટલો પાકો થયો ! તીર્થંકરોને જ્ઞેય-જ્ઞાતા ઉપરેય ઉપયોગ હોય, બધું ‘કેવળ’ હોય.

પ્રશ્નકર્તા : એટલે કેવળજ્ઞાનમાં જ્ઞેયથી છૂટું પડી ગયું કહેવાય ?

દાદાશ્રી : કેવળજ્ઞાનમાં જ્ઞેયથી છૂટું જ હોય. પણ જ્ઞેય-જ્ઞાતાવાળા સંબંધમાં જ્ઞેયની જોડે છૂટું નથી પડતું, એને સંબંધ રહ્યો છે અને સંબંધને જાણે છે કે આવો સંબંધ છે.

ઉપયોગ ઉપયોગમાં રહે એટલે જાગૃતિ જાગૃતિમાં જ રહે, બહાર ના ખેંચે. બહાર જે દેખાય તે સહેજાસહેજ દેખાય.

બહારનું તો તમે જોશો એ જુદી વાત છે, પણ તમારા જ અંદરનું તમે બધું જોયા કરશો તે વખતે તમે કેવળજ્ઞાન સત્તામાં હશો. પણ અંશ કેવળજ્ઞાન થાય, સર્વાંશ નહીં.

જેટલો વખત તમે જ્ઞાયક રહો એટલો વખત તમે ભગવાન, એટલો વખત કેવળજ્ઞાનના અંશો ભેગા થાય.

વીતરાગ થવાની શરૂઆતથી માંડીને વીતરાગ થવાના એન્ડ (અંત) સુધી વીતરાગ થતા થતા થતા આગળ વધી અને સર્વાંશે વીતરાગ થાય ત્યારે કેવળજ્ઞાન થાય. કેવળજ્ઞાન પહેલું થાય નહીં, અંશે વીતરાગ થતો થતો થતો થતો જેટલા અંશે વીતરાગ થયો, એટલા અંશે કેવળજ્ઞાન થયું. કેવળજ્ઞાનેય એટલા અંશે ગણાય. પછી સંપૂર્ણ કેવળજ્ઞાન ક્યારે ગણાય કે સર્વાંશે વીતરાગ થાય ત્યારે સંપૂર્ણ કેવળજ્ઞાન થાય.

(પા.૧૫)

(સૂત્ર-૧૪)

આમ એકલા બેઠા હોઈએ તો ચંદુભાઈને જોયા કરવાના કે એનું મન શું કરી રહ્યું છે, એની બુદ્ધિ શું કરી રહી છે, અહંકાર શું કરી રહ્યો છે અને બધું શાંત હોય તો ચંદુભાઈ જુદા દેખાય, એને જોયા કરવાના. ‘પુદ્ગલ’ને જ જાણવું ને સમજવું, એનું નામ ‘જ્ઞાતા.’ જ્ઞેય ને જ્ઞાતા એકાકાર ના થાય, એનું નામ ‘જ્ઞાન.’ ‘પોતાના’ પ્રદેશમાં ‘જોવા-જાણવાપણું’ જ છે, બીજું કશું જ નથી, પરમાત્મપણું છે !

પ્રશ્નકર્તા : હું જ્ઞાતા-દ્રષ્ટા થઈને જોવાનો પ્રયત્ન કરું છું, તે ઘડીએ પણ બુદ્ધિ જોતી હોય એમ લાગે છે.

દાદાશ્રી : એ ખરું કહે છે, બુદ્ધિ જ જુએ છે. (રિયલ) જ્ઞાતા-દ્રષ્ટા તો બુદ્ધિય ન પહોંચે ત્યાં શરૂ થાય છે.

આ બધી જ્ઞેય વસ્તુનો જ્ઞાતા-દ્રષ્ટા ‘હું’ નથી લાગતો, પણ આ બુદ્ધિ લાગે છે. પણ આ બુદ્ધિનો જ્ઞાતા-દ્રષ્ટા કોણ ? આત્મા. ‘એવું લાગે છે’ ત્યારે દ્રષ્ટા તરીકે જોયું અને ‘જાણવામાં આવે છે’ ત્યારે જ્ઞાતા તરીકે જાણ્યું.

પ્રશ્નકર્તા : એટલે આ આખા દિવસનું જોવાની પ્રક્રિયા હતી તો એને જોનારો જે છે, એને પણ જોનારો બીજો હોય છે એમ ? તો પહેલો જોનારો કોણ છે ?

દાદાશ્રી : એ છે તે ઉપાદાન કહો, બુદ્ધિ કહો કે અહંકાર કહો, ને તેને પણ જોનારો એ આત્મા. જોનારનેય જાણે.

પ્રશ્નકર્તા : તો આમાં પ્રજ્ઞા ક્યાં આવી ?

દાદાશ્રી : એ જ પ્રજ્ઞા ને ! મૂળ આત્મા તો મૂળ આત્મા જ છે.

પ્રશ્નકર્તા : એ ડિમાર્કેશન કેવી રીતે ખ્યાલ આવે કે આ બુદ્ધિનું જોવા-જાણવાનું છે અને આ ‘પોતાનું’ જોવા-જાણવાનું છે ?

દાદાશ્રી : બુદ્ધિનું તો આમ આંખે દેખાય તે જ જોવા-જાણવાનું અથવા કાનથી સંભળાય તે, જીભથી ચખાય તે, એ બુદ્ધિ બધી.

પ્રશ્નકર્તા : એટલે આ ઈન્દ્રિયનું થયું પણ બીજું બધું અંદર પણ ચાલતું હોય ને બુદ્ધિનું દેખાવાનું કે આ પક્ષપાતી છે, આવા છે, તેવા છે એ બધું પણ બુદ્ધિ જ જુએ ને ?

દાદાશ્રી : આ બધું જુએ, એ બુદ્ધિનું જ. અને આત્માનું જ્ઞાન-દર્શન તો જોવું ને જાણવું એ જુદી વસ્તુ છે. દ્રવ્યોને જુએ-જાણે, દ્રવ્યના ગુણને જાણે, એના પર્યાયને જાણે, એ બધું જાણવું-જોવું, એનું નામ આત્મા. અગર તો મનના બધા પર્યાયને જાણે. બુદ્ધિ તો મનના પર્યાય અમુક હદ સુધી જ જાણી શકે, જ્યારે આત્મા મનના બધા જ પર્યાયને જાણે. બુદ્ધિને જાણે, પરિસ્થિતિને જાણે. અહંકારના પર્યાયો જાણે, બધું જ જાણે. જ્યાં બુદ્ધિ ના પહોંચે, ત્યાં પછી એનું (આત્માનું) ચાલુ થાય.

પ્રશ્નકર્તા : અને જે ચંદુભાઈને જુએ છે એ બુદ્ધિ ?

દાદાશ્રી : એ બુદ્ધિ જુએ અને બુદ્ધિને જુએ છે તે આત્મા. બુદ્ધિ શું કરી રહી છે, મન શું કરી રહ્યું છે, અહંકાર શું કરી રહ્યો છે, બધાને જાણનાર તે આત્મા. આત્માની આગળ પરમાત્માપદ રહ્યું. શુદ્ધાત્મા થઈ ગયો તે પરમાત્મા ભણી ગયો અને પરમાત્મા થયો તેને કેવળજ્ઞાન થઈ જાય. અગર તો કેવળજ્ઞાન થયું તે થઈ ગયો પરમાત્મા. ફૂલ (પૂર્ણ) થયો, નિર્વાણપદને લાયક થઈ ગયો. એટલે જોવા-જાણવાનો ઉપયોગ રાખવો જોઈએ, આખો દિવસ.

(પા.૧૬)

પ્રશ્નકર્તા : આ પુદ્ગલની બધી વસ્તુ જે જુએ છે એ જોવાની બધી જે ક્રિયા છે, એ બુદ્ધિક્રિયા છે કે જ્ઞાનક્રિયા છે ?

દાદાશ્રી : એ આમ તો પ્રજ્ઞાના ભાગમાં જ જાય ને ! અહંકાર અને બુદ્ધિની ક્રિયાથી થોડી સમજ પડે, બાકી પ્રજ્ઞા સિવાય ના સમજ પડે.

પ્રશ્નકર્તા : આપ કહો છો ને કે અમે જ્ઞાન આપીએ એટલે આત્મા અને દેહને છૂટા પાડી આપીએ છીએ, તો આ બંનેને જુદો પાડનારો જુએ છે કોણ ?

દાદાશ્રી : બે વસ્તુ છે જોનારી. એક તો પ્રજ્ઞા છે અને પ્રજ્ઞાનું કામ પૂરું થઈ ગયા પછી આત્મા છે. આત્મા જ્ઞાયક તરીકે રહે છે. પ્રજ્ઞાથી માંડીને આત્મા સુધીનો જોનાર છે. પ્રજ્ઞાનું કામ પૂરું થાય એટલે આત્મા પોતે જ્ઞાયક તરીકે થઈ જાય છે.

પ્રશ્નકર્તા : એટલે આ જોવું-જાણવું જે કીધું આત્માનું, એ દ્રવ્યોને જાણે ?

દાદાશ્રી : હં !

પ્રશ્નકર્તા : એ દ્રવ્યને, દ્રવ્યના ગુણધર્મ અને દ્રવ્યના પર્યાયને કેવી રીતે જાણે, એમાં શું શું જોઈ શકે, એનો એક્ઝેક્ટ દાખલો આપો ને !

દાદાશ્રી : આ કોના ગુણધર્મ છે એ બધું જાણે. પુદ્ગલના ગુણધર્મ છે કે ચેતનના ગુણધર્મ છે. પછી બીજા ગુણધર્મેય જાણે બધા. આકાશના ગુણધર્મ શું છે એ બધું જાણે. પછી કાળના શું ગુણધર્મ છે એ જાણે.

(સૂત્ર-૧૫)

બે જાતના જ્ઞેય અવસ્થા સ્વરૂપે છે અને એક તત્ત્વ સ્વરૂપે જ્ઞેય છે. તત્ત્વ સ્વરૂપનું હજી તમને ના સમજાય. (૧) જ્ઞાતાભાવ જ્ઞેયભાવે દેખાય ત્યારે પોતાના સ્વભાવમાં સમાવેશ પામે.(૨) જ્ઞેયમાં મમત્વપણું હતું તે છૂટ્યું અને જ્ઞેય જ્ઞેય સ્વરૂપે દેખે તેમ તેમ આત્મપુષ્ટિ થાય.

જ્યારે તત્ત્વ સ્વરૂપે આ આત્મા દેખાશે ત્યારે બધા જ બાકીના તત્ત્વો દેખાશે. ખરો જ્ઞેય તત્ત્વ સ્વરૂપે છે અને તત્ત્વ સ્વરૂપે જ્ઞેય ‘કેવળ જ્ઞાન’ વગર ના દેખાય. પણ શ્રદ્ધામાં આવે એટલે કેવળ જ્ઞાનમાં આવે જ. જ્ઞાતાભાવ ખેંચાઈ ગયો એટલે Extract ખેંચાઈ ગયો.

ચાર ભાગ - બે ભાગ દ્રષ્ટા અને બે ભાગ દ્રશ્ય.

પ્રશ્નકર્તા : દાદા, એ દ્રષ્ટાના બે ભાગ કયા અને દ્રશ્યના બે ભાગ કયા ?

દાદાશ્રી : દ્રષ્ટા મૂળ સ્વરૂપે રહે છે, દ્રષ્ટા સ્વરૂપે વીતરાગ અને બીજો દ્રષ્ટા ‘હું’, બુદ્ધિ છે તે ‘આને’ (પ્રતિષ્ઠિત આત્માના કાર્યોને) જુએ. પહેલું દ્રશ્ય છે તે પ્રતિષ્ઠિત આત્મા, બીજું દ્રશ્ય એના કાર્યો. બે પ્રકારના દ્રશ્ય અને બે પ્રકારના દ્રષ્ટા.

બે પ્રકારના જ્ઞાતા અને બે પ્રકારના જ્ઞેય ! એટલે આત્મા (પ્રજ્ઞા, શુદ્ધાત્મા) અને આત્મા (વિભાવિક આત્મા, વિભાવિક ‘હું’)ના પર્યાય (તે બુદ્ધિ). અને આ પ્રતિષ્ઠિત આત્મા અને એના પર્યાય એ બે જ્ઞેય છે. ભગવાન (મૂળ દ્રવ્ય)ને કશું ના થાય, પર્યાયમાં દેખાય.

પ્રશ્નકર્તા : દાદા, આપે જે દ્રષ્ટા બે કીધા ને, તેમાં દરઅસલ આત્મા એ મૂળ દ્રષ્ટા ?

દાદાશ્રી : હા,શુદ્ધાત્મા.

પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા અને બીજો દ્રષ્ટા જે છે તે, આત્માના પર્યાયો જે છે તે ને ?

(પા.૧૭)

દાદાશ્રી : એ (વિભાવિક આત્મા)ના પર્યાયો ઊભા થાય છે તે.

આત્માના પર્યાયો છે, તે કોના પર્યાય જુએ છે ? પ્રતિષ્ઠિત આત્માના પર્યાયોને આ બધું મૂળ આત્મા ના જુએ. એને એમાં પડેલી નહીં ને, વીતરાગ !

પ્રશ્નકર્તા : એ વીતરાગ છે ?

દાદાશ્રી : હા. વીતરાગ તો આ (આત્માના પર્યાયો)ય ખરા, જે ‘આ રાગ છે’ એવું જાણે અને ‘આ દ્વેષ છે’ એવું જાણે અને ‘ભગવાન’ (મૂળ આત્મા) પોતે વીતરાગ રહે. એમને એમાં રાગેય નથી ને દ્વેષેય નથી.

પ્રશ્નકર્તા : પહેલો દ્રષ્ટા એ દરઅસલ આત્મા, એ શું જુએ છે ?

દાદાશ્રી : એ તો વીતરાગતા જ જુએ. એ રાગ-દ્વેષ કેવી રીતે જુએ ? એ રાગ-દ્વેષ એમાં છે નહીં, કશું છે નહીં. એમને તો આ ઉદયને આધીન જે બધું છે, તે જોયા કરે. એમને સારું-ખોટું ના હોય.

પ્રશ્નકર્તા : એટલે તત્ત્વ સ્વરૂપે જોયા કરે બધું ?

દાદાશ્રી : તત્ત્વ સ્વરૂપેય જુએ ને અતત્ત્વનેય જુએ.

પ્રશ્નકર્તા : અતત્ત્વને પણ જુએ ?

દાદાશ્રી : બન્નેને જુએ, પણ વીતરાગ.

પ્રશ્નકર્તા : અને બીજા દ્રષ્ટા કોણ છે ?

દાદાશ્રી : એ એના પર્યાય છે.

પ્રશ્નકર્તા : મૂળ આત્માના પર્યાય એ પણ દ્રષ્ટારૂપે જ રહે છે ?

દાદાશ્રી : દ્રષ્ટારૂપે રહે, વીતરાગેય હોય પણ ‘આ ખોટું છે અને આ સારું છે’ એવું જાણે, એટલે ત્યાં સુધી એ પર્યાયો બુદ્ધિના કહેવાય. (જ્ઞાન લીધા પછી અહંકાર નથી રહેતો, તેથી બુદ્ધિ જુએ, એમાં અહંકાર નહીં હોવાથી રાગ-દ્વેષ નથી થતા.) મૂળ આત્માના પર્યાય પણ શુદ્ધ હોય છે. મૂળ આત્માનું જ્ઞાન શુદ્ધ, એના પર્યાય શુદ્ધ અને આ (વિભાવિક આત્માનું) (જ્ઞાની પદમાં) જ્ઞાન શુદ્ધ, પર્યાય શુદ્ધ નહીં.

પ્રશ્નકર્તા : જ્ઞાન શુદ્ધ અને પર્યાય શુદ્ધ નથી, છતાં એ જુએ-જાણે છે ?

દાદાશ્રી : હા. આ દાદાને જે છે તે વીતરાગતા. પર્યાયમાં પણ એમને રાગ-દ્વેષ નહીં આવવાના. છતાં પણ ‘આ સારું છે ને તે ખોટું છે’ એવું જાણે. એનાથી નીચેના ભાગમાં બુદ્ધિ જેવું પદ, એ હોય છે, જે પૌદ્ગલિક ગણાય છે. એમાંથી રાગ-દ્વેષ હઉ થાય. (કારણ કે બુદ્ધિ જે જુએ-જાણે તેમાં અહંકાર ભળેલો હોય તો રાગ-દ્વેષ થાય) અને આ દ્રશ્ય શું છે ? એ તો એના ચાર ભાગ કરવા સારા. એક દ્રષ્ટા, બીજો દ્રષ્ટા, ત્રીજું દ્રશ્ય અને ચોથું દ્રશ્ય.

પ્રશ્નકર્તા : પછી બીજો જ્ઞેય અને બીજા જ્ઞાતા, અને પહેલો જ્ઞાતા અને પહેલો જ્ઞેય પણ કહ્યું ને ?

દાદાશ્રી : હા, જ્ઞાતા ને દ્રષ્ટા, એ બેઉ સાથે છે.

પ્રશ્નકર્તા : એટલે બે રૂપે જ્ઞાતા ને દ્રષ્ટા, બે રૂપે દ્રશ્યો અને બે રૂપે જ્ઞેયો.

દાદાશ્રી : બરોબર. જ્યારે જ્ઞેયથી શુદ્ધતા આવી જાય છે (જ્ઞેયમાં તન્મયાકારપણું છૂટે છે, જ્ઞેયથી છૂટો થાય, જ્ઞેયોનો વીતરાગતાથી જ્ઞાતા રહે એમ જ્ઞેયોથી પોતાને શુદ્ધતા આવતી જાય છે), એટલે પાછો મૂળ સ્વરૂપ આવ્યો.

(પા.૧૮)

પ્રશ્નકર્તા : આ વાત જરા ફરીથી કહો.

દાદાશ્રી : જ્ઞેયથી શુદ્ધતા આવી જાય એટલે ‘પોતે’ આખોય શુદ્ધ થઈ જાય, પર્યાય અને જ્ઞેયથી. વિચારી જોજે, આ બહુ ઝીણી વાત છે.

સ્વરૂપનું ભાન થતા પહેલાં ‘પ્રતિષ્ઠિત આત્મા’ને જ આપણે ‘જ્ઞાતા’ માનતા હતા. ‘સ્વરૂપ જ્ઞાન’ પછી એ ‘જ્ઞાતા’ પોતે જ જ્ઞેય થઈ જાય છે અને ત્યાં આગળ ‘જાગૃતિ’ પોતે જ ‘જ્ઞાતા’ થાય છે. એટલે કે પહેલાં ‘પ્રતિષ્ઠિત આત્મા’ તરીકે ‘હું’ હતું, તે હવે જાગૃતિ તરીકે ‘હું’ થાય છે અને મૂળ આત્મા તો એની આગળ રહ્યો હજુ ! સંપૂર્ણ જાગૃત થયો એટલે ‘મૂળ આત્મા’માં એકાકાર થઈ જાય છે. સંપૂર્ણ જાગૃત ના થાય ત્યાં સુધી જુદું રહે, ત્યાં સુધી અંતરાત્મા તરીકે રહે. ત્યાં બહિર્મુખી પદ છૂટી ગયેલું હોય છે. અંતરાત્મદશા પૂરી થાય કે પરમાત્મપદ પ્રાપ્ત થાય !

(સૂત્ર-૧૬)

કેવળજ્ઞાન એનો અર્થ શો ? સો ટકા જાગૃત, સંપૂર્ણ જાગૃત !

પ્રશ્નકર્તા : જાગૃતિ હવે જેમ જેમ વર્તતી જાય, તેમ તેમ જ્ઞાતા-દ્રષ્ટાપણું પણ વધતું હોય ?

દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટાપણું જાગૃતિના આધીન છે, બુદ્ધિના આધીન નથી. જગત બુદ્ધિના આધીન છે. બુદ્ધિ ને જાગૃતિ બે જુદી વસ્તુ છે. જાગૃતિ છેવટે પૂર્ણ થાય ત્યારે કેવળજ્ઞાન કહેવાય.

પ્રશ્નકર્તા : જેમ આ ટેપરેકર્ડ બધા અવાજોને વીતરાગ ભાવે ગ્રહણ કરી શકે છે, એવું જેમ જાગૃતિ વધતી જાય, તેમ તેમ પ્રત્યેક પર્યાયોને જોઈ શકે એવું બને ?

દાદાશ્રી : બધું જોઈ શકે. જાગૃતિ જ આત્મા છે.

પ્રશ્નકર્તા : જાગૃતિને જોનારો આત્મા કે જાગૃતિ પોતે આત્મા છે ?

દાદાશ્રી : જાગૃતિ પોતે જ આત્મા છે. આત્મા કોઈ બીજી વસ્તુ નથી, જાગૃતિ જ.

તમને જાગૃતિ તો આવી છે. હવે જાગૃતિ વધતી વધતી વધતી કેવળજ્ઞાનને પામશે. કેવળજ્ઞાન એટલે ફુલ સ્કોપની જાગૃતિ. પેલી આ અમુક હદમાં પાતળી થઈ ગઈ, નિરંતર જાગૃતિ એટલે કેવળદર્શન થયું કહેવાય, પણ ફુલ સ્કોપમાં થાય એટલે કેવળજ્ઞાન કહેવાય. જાગૃતિ એ છે તે પૂર્ણત્વે પહોંચે એનું નામ કેવળજ્ઞાન. પછી તેથી આગળ સ્ટેશન નથી, આ જ છેલ્લું સ્ટેશન છે.

જાગૃતિ એ જ જ્ઞાન છે ને સંપૂર્ણ જાગૃતિ એનું નામ કેવળજ્ઞાન. તમામ પ્રકારની જાગૃતિ, અણુએ અણુ, પરમાણુએ પરમાણુની જાગૃતિ એનું નામ કેવળજ્ઞાન. કેવળજ્ઞાનનું જે આખરી પગથિયું છે, તેમાં કેવળ સ્વરૂપની જ રમણતા રહે.

સંપૂર્ણ જાગૃતિ એ કેવળજ્ઞાન છે અને કેવળજ્ઞાન એ ખુદ પરમાત્મા છે અને એ ખુદ પરમાત્માની સાથે અમે વાતોચીતો કરીએ છીએ નિરંતર અને તમે બધા અમારી જોડે બેઠા, પછી દુઃખ હોય કોઈને ? ખુદ પરમાત્મા કોઈ દહાડો પ્રગટ થતા નથી, ચોવીસ તીર્થંકરો સિવાય ખુદ પરમાત્મા પ્રગટ થયેલા નથી !

(સૂત્ર-૧૭)

પરપરિણતિ બંધ થાય ને સ્વપરિણામમાં રહેવાનું થાય, સ્વપરિણામમાં મુકામ થાય ત્યારે ભગવાન થાય ! જગત આખું પરપરિણતિમાં છે, સ્વપરિણતિ જોઈ નથી. સ્વપરિણામ એ જ પરમાત્મપદ !

પ્રશ્નકર્તા : દાદા, સ્વપરિણામ અને

(પા.૧૯)

પરપરિણામ એક્ઝેક્ટલી (યથાર્થ પણે) જુદા પાડવા એ ઉપયોગ કહેવાય ?

દાદાશ્રી : પોતાના હોમ ડિપાર્ટમેન્ટના દરવાજે ઊભા રહીને, બીજું બધું જે હોમ કે ફોરેનનું આવે તો, હોમનું આવે તો અંદર, ફોરેનનું આવે તો અંદર નહીં એવું રાખો.

પ્રશ્નકર્તા : એટલે એ એક્ઝેક્ટ ઉપયોગ કહેવાય ?

દાદાશ્રી : એ છે ને, શરૂઆતનો એક્ઝેક્ટ ઉપયોગ, એ સ્થૂળ ઉપયોગ.

પ્રશ્નકર્તા : પણ એ સ્થૂળમાં જ જાય ?

દાદાશ્રી : સૂક્ષ્મની તો તમને ખબરેય ના પડે. સૂક્ષ્મ તમને સમજાવું તોય ના સમજણ પડે. કારણ કે શબ્દથી પકડાય એવું નથી એટલે એ તમારી જાતને અનુભવ થાય ત્યારે ખરું એ સમજાય. બહુ આપણે તો જાણવાની જરૂરેય નથી. આપણે અહીં એ સ્થૂળ સુધી આવે તોય બહુ થઈ ગયું.

પ્રશ્નકર્તા : સ્થૂળનું પરિણામ પછી સૂક્ષ્મ તરફ જાય ?

દાદાશ્રી : એ જ સૂક્ષ્મ તરફ ને ! અહીં જ ચોખ્ખું કરવાનું. આટલું ચોખ્ખું કર્યું તો સૂક્ષ્મ તો એની મેળે આવે, આપણે કરવા ના જવું પડે. એ તો એની મેળે આવે. આ આનું પારાયણ થયું નથી એટલે પેલું નથી આવતું.

પ્રશ્નકર્તા : આ અભ્યાસથી આવી શકે ને ઉપયોગ ?

દાદાશ્રી : માણસને અભ્યાસ તો જોઈએ ને ? અભ્યાસ એટલે જાગૃતિની અંદર પોતે તૈયાર રહેવું.

પ્રશ્નકર્તા : એ શું કહ્યું ?

દાદાશ્રી : જાગૃતિ એમ ને એમ વહી જાય. ખોટું થયું, ખોટું થઈ રહ્યું છે પણ કશો અભ્યાસ કરે નહીં. જાગૃતિ દેખાડ્યા જ કરે ને, ખોટું થઈ રહ્યું છે. તારે જાગૃતિ દેખાડે કંઈ ?

પ્રશ્નકર્તા : દેખાડે એવું બધું.

દાદાશ્રી : આખો દહાડોય ? કેવડી ઊંચી થઈ જાગૃતિ ! દુનિયા ખોળે છે, પણ આ જાગૃતિ ના રહે. એ જાગૃતિ નિરંતર રહે એવી જાગૃતિ મેં તમને આપેલી છે. એ જાગૃતિનો ઉપયોગ કરવાનો છે. જરા પહેલાંની ટેવ પડેલી ને, તે ત્યાં લીસી જગ્યાએ લપસવાની ટેવ પડેલી છે.

પ્રશ્નકર્તા : ખરી વાત છે, હા.

દાદાશ્રી : તે જરાક ત્યાં જાગૃતિ રાખી કે આ લીસી જગ્યા છે ને લપસી જવાય એવું જેવું છે અને છતાં ઉદયમાં આવ્યું છે, એટલે આપણે કહેવું કે ચંદુભાઈ, તું લપસે છે ને ‘હું જોઉં છું.’ વાંધો ખરો ?

પ્રશ્નકર્તા : ના.

દાદાશ્રી : પણ આ તો લપસી જ જાય. એ પોતે હઉ ચંદુભાઈ જોડે લપસી જાય. એટલે ત્યાં ઉપયોગ રાખવાનો. જેમ કૂવા ઉપર ગયેલો માણસ એની વાઈફને યાદ કરે, છોકરાંઓને યાદ કરે કે કૂવાને યાદ કરે ? કૂવા ઉપર બેસવાનું થાય તો ચેતે ને ?

અગર તો કોઈ દરિયાની વચ્ચે બે ફૂટનો રસ્તો કરેલો હોય ને બે બાજુ રેલીંગ ના હોય, ત્યાં જવાનું તે ઘડીએ વાઈફ યાદ આવે કે એને લક્ષ્મી યાદ આવે કે બંગલા યાદ આવે ?

પ્રશ્નકર્તા : કોઈ ના યાદ આવે.

(પા.૨૦)

દાદાશ્રી : હંઅ, એનું નામ ઉપયોગ. દાદાએ એક અવતારી મોક્ષમાર્ગ સિદ્ધાંતપૂર્વક આપ્યો તો પછી એ સિદ્ધાંતને આપણે વળગી રહેવું જોઈએ. ઉપયોગ એમાં જ રાખવો જોઈએ. અને પેલું દરિયામાં પડે તો એક જ અવતારનું મરણ થાય, જ્યારે આ લાખો અવતારનું મરણ થાય. મહીં તો ચંદુભાઈને કહેવું જોઈએ કે ‘સીધો રહે.’

(સૂત્ર-૧૮)

જાગૃતિનું પરિણામ સૂક્ષ્મતા લાવે, પણ સૂક્ષ્મતાથી હજુ બહુ આગળ જવાનું. એ બધા કિલ્લા ઓળંગે ત્યારે આત્મા સ્વસંવેદનમાં આવે. સ્વસંવેદન વધતું વધતું જાય ને છેવટે સ્પષ્ટવેદન ઉત્પન્ન થાય !

(તારે) પછી અંદર તો કહ્યા પ્રમાણે ચાલે છે ને કે નથી ચાલતું ?

પ્રશ્નકર્તા : બહુ રાગે છે, સારું ચાલે છે.

દાદાશ્રી : ત્યારે સારું. ભૂલ તો બહાર થયા જ કરવાની. તને ખબર પડશે, તે ભાન થતું જશે. પોતાની મેળે ભાન થાય ભૂલનું, ત્યારે હું કહું જ્ઞાની. ભૂલમાં જ ચાલ્યા કરે માણસ.

ભૂલને જ સત્ય માનીને ચાલ્યા કરે. પછી પોતાને જરા વેદન આવે ત્યારે પછી વિચારે કે સાલું, આમ કેમ થાય છે ? ત્યારે પછી ખબર પડે. વગર વેદને ખબર પડે ત્યારે જાણવું કે જ્ઞાન પ્રગટ થયું છે ! આ જ્ઞાન ને આ અજ્ઞાન એવો ભેદ પડી જવો જોઈએ.

પ્રશ્નકર્તા : પોતાની ભૂલ ખબર પડે, પછી ભૂલ અટકે ખરી ?

દાદાશ્રી : ના અટકે એનો સવાલ નથી. ખબર પડે એટલે બહુ થઈ ગયું. ભૂલ અટકે કે ના અટકે, એ તો માફી જ છે. ભૂલ ખબર નથી પડતી તેને માફી નથી. ના અટકે એનો સવાલ નથી. બેભાનપણાને માફી નથી. બેભાનતાથી ભૂલ થાય છે.

પ્રશ્નકર્તા : એવું બેભાનપણું કેટલીય વાર ઉત્પન્ન થયું હોય. બાકી કેટલીય બાજુ બેભાનપણું રહેતું હશે તો ત્યાં ભૂલો થયા કરતી હોય ને ?

દાદાશ્રી : થયા જ કરે ને પણ ! થયા કરતી હોય નહીં, થયા જ કરે છે.

પ્રશ્નકર્તા : એ બેભાનપણું છૂટે અને ભૂલ દેખાય, એવું શી રીતે બની શકે ?

દાદાશ્રી : એ તો જાગૃતિ આવવી જોઈએ ને જાગૃતિ આવે તો બે ભાગ જુદા પડ્યા જ કરે. જે કંઈ આવ્યું હોય એના બે ટુકડા જુદા જ થયા કરે જાગૃતિ હોય તો, જોતાની સાથે જ, ઑટોમેટિકલી.

પ્રશ્નકર્તા : એટલે આ જ મુખ્ય વસ્તુ કીધી ?

દાદાશ્રી : હં, મુખ્ય વસ્તુ જ આ છે ને !

પ્રશ્નકર્તા : એટલે જાગૃતિ આને જ કીધી અને પેલું ભૂલ થઈ જવી એ, આ બે ભાગ જુદા ના પાડવા એ ભૂલ થઈ ગઈ કહેવાય ?

દાદાશ્રી : એ ભૂલ જ થઈને પછી.

પ્રશ્નકર્તા : એ જ ભૂલ કહેવાય ?

દાદાશ્રી : આવી જ જાગૃતિ જોઈએ એમ. કોઈ ભૂલ સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ ના જાય.

પ્રશ્નકર્તા : એમાં એ વિભાજન શેનું કરતું હોય છે બે ભાગમાં ? બે ભાગનું વિભાજન શેનું કરે ?

દાદાશ્રી : જોતાની સાથે વિભાજન થાય.

પ્રશ્નકર્તા : હા, પણ બે શેમાં શેમાં વિભાજિત થાય ?

(પા.૨૧)

દાદાશ્રી : પુદ્ગલ પુદ્ગલમાં ને ચેતન ચેતનમાં જોતાની સાથે જ.

પ્રશ્નકર્તા : આ તો સૂક્ષ્મ જાગૃતિની વાત થઈ આખી. આ સૂક્ષ્મ જાગૃતિ, અને આ સૂક્ષ્મમાં જે ભૂલો થતી હોય અંદર.

દાદાશ્રી : સૂક્ષ્મની ભૂલો બધી બહુ થાય. આ તો સ્થૂળમાં જ બધી બહુ થાય છે.

પ્રશ્નકર્તા : આ સ્થૂળ કહેવાય, આ જાગૃતિને ?

દાદાશ્રી : સ્થૂળ તો આ બધું.

પ્રશ્નકર્તા : પુદ્ગલ અને ચેતન પરિણામને જુદા રાખવા.

દાદાશ્રી : એ સ્થૂળ કહેવાય એ.

પ્રશ્નકર્તા : એવું શાથી ?

દાદાશ્રી : તો બીજું કયું, સ્થૂળ નહીં તો ?

પ્રશ્નકર્તા : ના, એટલે આ વ્યવહારમાં એટલે સામાને વાણી-વર્તનથી અડચણ થઈ જાય, દુઃખ થઈ જાય, એ કેટલી બધી...

દાદાશ્રી : એ કંઈ ગણતરીમાં નહીં.

પ્રશ્નકર્તા : એ ગણતરીમાં નહીં લેવાનું ?

દાદાશ્રી : એ તો નોકર્મ છે બધા.

પ્રશ્નકર્તા : એટલે આંતર જાગૃતિ આ બે પરિણામને જુદા પાડ્યા કરવું એ મોટી વસ્તુ કીધી છે.

દાદાશ્રી : એ તો બહુ જરા એથી આગળની છે, સૂક્ષ્મ કરતાંય આગળની છે. પણ આ સ્થૂળ જ હજુ નથી થયું ને !

પ્રશ્નકર્તા : એ સ્થૂળ અને સૂક્ષ્મનો ભેદ ના સમજાયો.

દાદાશ્રી : સૂક્ષ્મમાં કષાય ભાવ હોય. એ કષાય ભાવ જુદા પડે. કષાય ભાવથી ચેતન જુદું પડી જાય. કષાય ભાવ પુદ્ગલ હોય અને એ સૂક્ષ્મમાં ગણાય.

પ્રશ્નકર્તા : એ સૂક્ષ્મમાં ગણાય, અને સ્થૂળમાં ?

દાદાશ્રી : સ્થૂળમાં છે તે આ વ્યવહારમાં છે એ બધું.

પ્રશ્નકર્તા : એટલે વ્યવહારને પુદ્ગલ ગણે અને પોતે જુદો રહે એવું ? પુદ્ગલ અને ચેતન સ્થૂળમાં કેવી રીતે જુદું પડે ?

દાદાશ્રી : આ ભૂલો દેખાય છે તે.

પ્રશ્નકર્તા : બરોબર. એટલે આ વ્યવહારમાં જે બને એમાં ભૂલો હોય.

દાદાશ્રી : હા, એ બધું સ્થૂળમાં જાય.

પ્રશ્નકર્તા : એ બધી જોવી-જાણવી.

દાદાશ્રી : એ સ્થૂળમાં બધું.

પ્રશ્નકર્તા : એ જાગૃતિ રહે, એ સ્થૂળ જાગૃતિ કહી ? અને સૂક્ષ્મમાં એટલે કષાય, કષાય પરિણામ પુદ્ગલને થતા હોય ?

દાદાશ્રી : કષાય એકલાને લાગુ થાય.

પ્રશ્નકર્તા : કષાયમાં શું શું સમાઈ જાય ?

દાદાશ્રી : કષાય પુદ્ગલ ને ચેતન, બે જુદું પડી જાય. કષાય પુદ્ગલમાં જતા રહે ને ચેતન ચેતનમાં જતું રહે.

પ્રશ્નકર્તા : એટલે કષાય ઉદ્ભવ થવા એને પુદ્ગલ પરિણામ માને, જાણે એવું ? નિમિત્તથી પરિણામ ઊભું થાય ?

(પા.૨૨)

દાદાશ્રી : હં. પછી એને આ જાણે એટલે જુદું પડી જાય, કષાય પુદ્ગલ ભણી જતા રહે. એમાં જે ચેતન ભાગ છે મિશ્રનો તે આમ જતો રહે. અને સહજ રીતે થયા કરે, કરવું ના પડે.

પ્રશ્નકર્તા : એ સહજ ક્રિયા છે એની.

દાદાશ્રી : હં. જાગૃતિ જ મુખ્ય વસ્તુ.

પ્રશ્નકર્તા : એટલે આ છૂટું પડવું એ સહજ છે ?

દાદાશ્રી : સહજ છે.

પ્રશ્નકર્તા : તો પછી જાગૃતિ કોને કીધી ? એ છૂટું પડવાની ક્રિયા એ જ જાગૃતિ છે ને ?

દાદાશ્રી : ના.

પ્રશ્નકર્તા : તો ?

દાદાશ્રી : જાગૃતિથી એ છૂટું પડી જાય સહજ. જાગૃતિ જ મુખ્ય વસ્તુ છે. જાગૃતિથી જ એ છૂટું પડી જાય છે.

પ્રશ્નકર્તા : હા, જાગૃતિથી પછી પેલું પરિણામ તો સહજ થઈ જાય છે.

દાદાશ્રી : ના, ના, આ બેઉ જુદા પડી જાય છે.

આખું જગત મનોવેદનામાં છે. કોઈનેય સ્વસંવેદન થયું જ નથી, નહીં તો મોક્ષે જતો રહ્યો હોત. તમને આત્માનું સ્વસંવેદન રહ્યા કરે. અંદરથી લક્ષ રહ્યા કરે, જાગૃતિ રહ્યા કરે, એ સ્વસંવેદન કહેવાય. એનો લાભેય મળ્યા કરે, નિરાકુળતાનો લાભેય મળ્યા કરે. વ્યાકુળ જગ્યાએ નિરાકુળતામાં રહેવાય અને અમે તો ભયંકર વ્યાકુળ જગ્યાએ નિરાકુળતામાં રહેલા. આ તો ટેસ્ટેડ કહેવાય.

પ્રશ્નકર્તા : જાગૃતિ છે તેમાં આપણને દેખાય કે આટલા અંતરાય છે. આનાથી વધારે દોડાતું નથી. એટલે જ્યાં જ્યાં સૂક્ષ્મતાએ પહોંચવા જઈએ ત્યાં ત્યાં આખું આવરાતું દેખાય કે જાણે ભીંત વચ્ચે આવી ગઈ. હવે આગળ નથી પહોંચાતું એ એનાલિસિસમાં, તો દોષોના પ્રતિક્રમણ કરીએ, જે અસર થાય તે માલમ પડે છે, પોતે છૂટો રહે છે, પણ જે એની સૂક્ષ્મતાએ નિર્મૂળ થવું જોઈએ એ થતું નથી.

દાદાશ્રી : એ ટાઈમ લેશે. એટલે બધી સૂક્ષ્મતા આવે, પણ સૂક્ષ્મતાથી હજુ બહુ આગળ જવાનું છે. એ બધા કિલ્લા ઓળંગે ત્યારે આત્મા સ્વસંવેદનમાં આવે.

પ્રશ્નકર્તા : એ જ સ્પષ્ટ વેદન કહેવાય ?

દાદાશ્રી : હા. પણ સ્પષ્ટ વેદન થતાંય પહેલાં સ્વસંવેદન પોતાને માલમ પડે. સ્વસંવેદન વધતું જાય ને, એટલે આપણે જાણીએ કે એ વધી વધીને ક્યાં સુધી જશે ? ત્યારે કહે, સ્પષ્ટ વેદન સુધી. પણ ધીમે ધીમે જાગૃતિ વધી જાય ત્યારે.

પ્રશ્નકર્તા : આત્માના સ્વસંવેદનનો અનુભવ હજુ થતો નથી ?

દાદાશ્રી : આત્મા પોતે સ્વસંવેદન જ છે પણ આ પાછલા પર્યાય, પાછલો અહંકાર જાય નહીં ને ! પાછલા અહંકાર-મમતા જાય નહીં ને હજુ.

(સૂત્ર-૧૯)

જ્યાં જાગૃતિ પહોંચી એ જ આત્મા નજીક પહોંચ્યા. જેટલું નજીક ગયા એટલું અજવાળું વધારે, એટલો પ્રકાશ વધારે.

આ જ્ઞાનનો અર્થ શું છે ? જાગૃતિ. આપણી આ આત્મજાગૃતિ છે અને એનું ફળ કેવળજ્ઞાન છે. નિરંતર જાગૃતિ રહેવી જોઈએ. એક સેકન્ડ

(પા.૨૩)

પણ અજાગૃતિ રહે એ ચાલે નહીં. સંપૂર્ણ જાગૃતિ ના રહે પણ અમુક અંશે નિરંતર હોય ! સંપૂર્ણ જાગૃતિ થાય ત્યારે કેવળજ્ઞાન કહેવાય, સંપૂર્ણ અને નિરંતર ! આ તમને અપૂર્ણ ને નિરંતર એ જાગૃતિ શરૂ થઈ જાય.

પ્રશ્નકર્તા : અપૂર્ણ અને નિરંતર જાગૃતિ એ ના સમજાયું.

દાદાશ્રી : એટલે કેવળજ્ઞાન નહીં, પૂર્ણ હોત તો કેવળજ્ઞાન કહેવાત. એટલે તમારે હવે પુરુષાર્થ કરવાનો રહ્યો, તમે પુરુષ થયા માટે. તો હવે તમે પુરુષાર્થ કરો. જેટલી આજ્ઞા પાળો એટલી મહીં જાગૃતિ વધતી જાય, પૂર્ણતા ઉત્પન્ન થતી જાય. જ્યાં જાગૃતિ પહોંચી એ જ આત્મા નજીક પહોંચ્યા. જેટલું નજીક ગયા એટલું અજવાળું વધારે, એટલો પ્રકાશ થતો જાય.

(સૂત્ર-૨૦)

આત્મા અનુભવેલો જોઈએ, શાસ્ત્રજ્ઞાનથી જાણેલો ના ચાલે. શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી, અનુભવજ્ઞાનથી નિવેડો છે !

કેવળજ્ઞાન એટલે કોઈ અવલંબન નહીં, નિરાલંબ. કોઈ ચીજની જરૂર નહીં. માત્ર એબ્સૉલ્યૂટ અને તે એબ્સૉલ્યૂટ આત્મા અમે જોયેલો છે. એટલે એના શબ્દો નથી કે કેવળજ્ઞાન અમે તમને કહી શકીએ. એટલે બીજા-બીજા શબ્દોથી તમને અંગુલિનિર્દેશ કર્યા કરીએ છીએ. યથાર્થ શબ્દો ના હોય. એને માટે વાણી હોતી નથી. એટલે નિરાલંબ પદ અમે જોયેલું છે એટલે અમે આ વર્ણન કરી શકીએ છીએ, નહીં તો વર્ણન કરી શકે નહીં.

પ્રશ્નકર્તા : ‘જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં...

દાદાશ્રી : જ્ઞાની ભગવાને, સર્વજ્ઞ ભગવાને જે પદ જ્ઞાનમાં જોયું, એ પદને ભગવાન પણ કહી શક્યા નહીં. કારણ કે ત્યાં વાણી નથી. વાણી અમુક હદ સુધી જ, અમુક પદ સુધી જ વાણી. પછી એથી આગળ વાણીનો યોગ નીકળી જાય. કારણ કે વાણી સ્થૂળ રહી ને પેલું સૂક્ષ્મતમ રહ્યું. એટલે સ્થૂળ, સૂક્ષ્મતમનું વર્ણન કરી શકે નહીં. સૂક્ષ્મતમ વાણી હોય તો જ વર્ણન કરી શકે. એટલે એવી વાણી હોતી નથી. એટલે કૃપાળુદેવે લખ્યું ને કે...

‘જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,

કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો.

તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ?

અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.’

અપૂર્વ અવસર...

એ કહેવા જેવું નથી, અનુભવગોચર છે. એટલે નરસિંહ મહેતાએ કહ્યું’તું કે શાસ્ત્રજ્ઞાનથી નિવેડો નથી, અનુભવથી નિવેડો છે.

(સૂત્ર-૨૧)

તમે ‘અમારી’ ‘પાંચ આજ્ઞા’માં રહો તે જ પુરુષાર્થ છે, એ જ ધર્મ છે ! બીજો કોઈ પુરુષાર્થ નથી. એમાં બધું આવી ગયું.

પુરુષાર્થ શાને કહેવાય છે ? જેટલી જાગૃતિ રહે અને જેટલી અમારી આજ્ઞા પાળે તેને. અને પુરુષાર્થ થયો એટલે કેવળજ્ઞાનના અંશો મહીં ઉમેરાયા કરે. કેવળજ્ઞાનના અંશો વધતા વધતા ૩૬૦ થાય ત્યારે કેવળજ્ઞાન પૂરું થાય ! ત્યાં સુધી અંશ કેવળજ્ઞાન કહેવાય. અંશ કેવળજ્ઞાન છે એવું પોતાને ખબર પડે કે મને અંશ કેવળજ્ઞાન છે.

પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા સ્ટેજમાં રહેવાય. એ જ્ઞાતા-દ્રષ્ટામાં રહેવાનો પ્રયત્ન કરે, એ પુરુષાર્થ કહેવાય કે પરાક્રમ કહેવાય ?

(પા.૨૪)

દાદાશ્રી : એ પુરુષાર્થ કહેવાય. પુરુષ થયો એટલે પુરુષાર્થ ધર્મ. પુરુષાર્થ ધર્મ એટલે શું ? જ્ઞાતા-દ્રષ્ટા એનું નામ પુરુષાર્થ ધર્મ. પુરુષ થયો એટલે પુરુષાર્થ ધર્મ હોવો જ જોઈએ.

પ્રશ્નકર્તા : પરાક્રમમાં જાગૃતિ રહે ?

દાદાશ્રી : બધી બહુ જાગૃતિ. પરાક્રમમાં તો જબરજસ્ત જાગૃતિ જોઈએ. પરાક્રમ એટલે પરાક્રમ કહેવાય. લોકોય કહે કે આ પરાક્રમી માણસ છે.

પ્રશ્નકર્તા : એ જાગૃતિ હોય તો જ પરાક્રમ થાય ને ?

દાદાશ્રી : જાગૃતિ જબરજસ્ત હોય તો જ પરાક્રમ કહેવાય. આ તો જાગૃતિ છે, આ પાંચ આજ્ઞા પાળે છે પણ કોઈ ફેરો આમ ડોઝિંગ થઈ જાય છે, આમ ઝોકું ખઈ જાય, એ જાગૃતિ મંદ કહેવાય. જાગૃતિ તમને આપેલી છે, એટલી બધી જાગૃતિ આપી છે કે ન પૂછો વાત !

અનુભવ, લક્ષ અને પ્રતીતિ તો બધાને રહે છે. એ કંઈ પુરુષાર્થનું ફળ નથી, એ તો ‘દાદાઈ’ કૃપાનું ફળ છે. હવે પુરુષાર્થ અને પરાક્રમ ક્યારે કહેવાય ? જેનાથી તમે લટક્યા છો, એ લટક્યાની દોરી તૂટી જાય ત્યારે. હવે પરાક્રમ તમારે કરવાનું હોય. આ તો તમને જે પ્રાપ્ત થયું છે, એ તમારી પુણ્યૈના આધારે જ્ઞાનીની કૃપા પ્રાપ્ત થઈ ને કૃપાના આધારે આ પ્રાપ્ત થયું છે !

હવે પોતાનું સ્વયંસુખ ઉત્પન્ન થયું. હવે તમને બીજા સુખના અવલંબનની જરૂર નથી. એટલે પેલા સુખને બાજુએ મૂકવાના. આ સુખ ને પેલું સુખ બેઉ સાથે ઉત્પન્ન ના થાય. માટે અટકણ ખોળી નાખો.

પ્રશ્નકર્તા : પુરુષાર્થથી, પરાક્રમથી અટકણનો નિકાલ થઈ શકે ને ?

દાદાશ્રી : હા, બધું થઈ શકે. તેથી તો આપણે ચેતવીએ છીએ કે જ્યાં આત્મા પ્રાપ્ત થયો, જ્યાં પુરુષ થયા છે, પુરુષાર્થ છે, પરાક્રમ કરી શકે તેમ છે, માટે હવે કામ કાઢી લો. ફરી અટકવાનું જોખમવાળું છે, ત્યાં ઉકેલ લાવી નાખો !

પ્રશ્નકર્તા : પરાક્રમ એટલે સમજાવો.

દાદાશ્રી : દાદા એ પાંચ આજ્ઞામાં રહેવું એ તો પુરુષાર્થ કહેવાય. પણ પરાક્રમ એટલે જ્યાં આગળ ચંદુભાઈ નરમ થઈ જાય અને ઉગ્ર થઈ જાય, તો આપણે એને પ્રતિક્રમણ કરાવવા, એવું તેવું બધું કરવું. અને ફરી છે તે ન થાય એવી જાગૃતિ રાખવી. છતાં ફરી થાય તો તેનું તે જ પ્રમાણે પરાક્રમમાં ચૂક ના થવી જોઈએ. જરાક કાચા પડી જાય છે. પરાક્રમ એટલે બધું સેફસાઈડ કરી નાખવું. આજ્ઞા તો અમુક જ હદ સુધી કામ કરે છે, બીજું પરાક્રમ કામ કરે છે.

(સૂત્ર-૨૨)

આપણી સેફસાઈડ રહે, એ પ્રમાણે ચાલ્યા જ કરવું. તમારે તો ફક્ત જાગૃતિ જ રાખવાની. આપણું આ વિજ્ઞાન થોડા વખતમાં સેફસાઈડ કરી નાખે એવું છે. જેને ભગવાન પણ ના પૂછી શકે એવી સેફસાઈડ કરે એવું આ વિજ્ઞાન છે !

પ્રશ્નકર્તા : દાદા, આ જાગૃતિની સેફસાઈડ કેવી રીતે રાખી શકાય ?

દાદાશ્રી : આ મેં સેફસાઈડના તો બધા ધર્મો કહ્યા, ગુણધર્મો કહ્યા બધા કે કૉમનસેન્સ, પ્રતાપ, સૌમ્યતા, ગંભીરતા, સ્થિરતા એ આવવા જોઈએ. આ બધા ગુણો હોવા જોઈએ ને ? એ ગુણો વગર જાગૃતિ ઉત્પન્ન થઈ, એટલે આને માટે સેફસાઈડ એક જ છે કે આને જો ત્યાગનો ઉદય આવ્યો તો આ સેફસાઈડ બહુ સારી કહેવાય,

(પા.૨૫)

તો તો બેસ્ટ કહેવાય. બધું સેફસાઈડ જ થઈ ગયું. કારણ કે વીતરાગનું કામ ! વીતરાગનો ધંધો એવો છે કે જે પેઠો એ સેફસાઈડ. એની શોધખોળ છે આ. પેઠો એ સેફસાઈડ, પછી સમજણ હોય કે ના સમજણ હોય તોય. અને આ તો જાગૃતિ કહેવાય. કોઈ જાતની મુશ્કેલી નહીં ને ! સંસાર સંભારવાનો નહીં રહે. એમને કંઈ ઉપયોગ જ દેવાનો ના રહ્યો ને, કે ક્યાંથી ખાવાનું લાવીશું કે શું કરીશું ? ટેક્ષ શાનો ભરીશું, ફલાણો ભરીશું. આ તો નોકરીમાંથી રૂપિયા લાવે તોય ગણવા પડે કે ના ગણવા પડે ?

પ્રશ્નકર્તા : ગણવા જ પડે ને !

દાદાશ્રી : હેં ? ત્યારે તે ઘડીએ જાગૃતિને શું કરતો હશે એ ? ગણતી વખતે જાગૃતિને શું કરે ? રૂપિયા ગણતી વખતે શું કરે છે જાગૃતિનું તું ?

પ્રશ્નકર્તા : અરે, ઘરમાં તો ત્રણ વખત પૂછે. ઘરમાં પૂછે કે ગણ્યા’તા પૈસા ? એટલે પછી હવે ના ગણ્યા હોય તો કહેવું પડે ને કે ભાઈ, નથી ગણ્યા, તો પાછા બૂમો પાડે. એટલે આ ગણી કાઢીએ એક વખત.

દાદાશ્રી : જાગૃતિવાળાને તો રૂપિયા ગણવા બહુ મુશ્કેલી પડી જાય, શું ?

અમને કોઈ દહાડો સોનું બંડલ રૂપિયા-રૂપિયાની નોટોમાં આપે ને, તો એ સત્તાણું ઘાલીને આપે તોય અમે જાણીએ કે ચાલો ને, ત્રણમાં પત્યું ને ! આપણે ગણવાના એ બહુ બહુ, એ જાગૃતિવાળાને પોસાય કેવી રીતે ? લક્ષ્મી ગણવાની કેમ પોસાય તે ? એટલે આપણે જાણીએ કે બે ઓછા હશે કે ત્રણ ઓછા હશે, ચાલો ને !

(પા.૨૬)

(સૂત્ર-૨૩)

ઉપરથી ‘એટમબોમ્બ’ પડે તોય પેટનું પાણી ના હાલે. ‘એટમબોમ્બ’ પડે તે ‘એ. એમ. પટેલ’ ઉપર પડશે, ‘મારી’ ઉપર ઓછો પડવાનો છે ? એવું આપણું આ વિજ્ઞાન છે ! ‘અક્રમ વિજ્ઞાન’ છે !

આ તો અજાયબ જ્ઞાન આપેલું છે. રાતે જ્યારે જાગો ત્યારે હાજર થઈ જાય કે ‘હું શુદ્ધાત્મા છું.’ તમે જ્યાં કહેશો ત્યાં હાજર થશે અને બહુ મુશ્કેલી આવે તો નિરંતર જાગ્રત રહેશે. બહુ મોટી મુશ્કેલી આવી અને એથી વધારે મુશ્કેલી આવી, બોમ્બ પડવા માંડ્યા તો તો પછી ગુફામાં જ પેસી જશે, કેવળજ્ઞાની જેવી દશા થઈ જશે ! બહાર બોમ્બ પડવા જોઈએ તો કેવળજ્ઞાની જેવી દશા થઈ જાય એવું જ્ઞાન આપેલું છે.

કૃપાળુદેવે લખ્યું, આરંભ-પરિગ્રહ ના છૂટે તો શ્રુતજ્ઞાન કેવી રીતે થાય અને અવધિજ્ઞાને ક્યારે થઈ રહે ? અને આત્મજ્ઞાન ક્યારે થાય ? અને તમે મહાત્માઓ તો આરંભ-પરિગ્રહની અંદર રમો છો અને કેવળજ્ઞાનની નજીક છો. કેવળજ્ઞાન થયેલું છે પણ પચ્યું નહીં આ !

આરંભ ને પરિગ્રહ બેઉ પરિનિવર્ત્યે થઈ ગયા. એટલે આ કેવળજ્ઞાનના કારણ સેવાય છે, આપણા મહાત્માઓને. આ કંઈ જેવી તેવી વાત નથી, આ તો અજાયબ વસ્તુ છે ! પણ હવે આ બાળકના હાથમાં હીરો આવી ગયો છે !

કૃપાળુદેવે કહ્યું, આત્મા તો જ્ઞાનીના હૃદયમાં છે. ચોપડીઓમાં સ્થૂળ આત્મા છે. એ સ્થૂળ આત્મા કામમાં લાગે નહીં, સૂક્ષ્મતમ આત્મા જોઈએ. જેને કેવળજ્ઞાન કહેવાય એ જોઈએ. એ સૂક્ષ્મતર સુધી તો પહોંચવું જોઈએ ને ? અમે સૂક્ષ્મતર સુધી પહોંચ્યા છીએ. એવું આ વિજ્ઞાન છે. હવે સૂક્ષ્મતમમાં જવાનું બાકી છે.

જય સચ્ચિદાનંદ