‘માન’ ના હોત તો અહીં જ ‘મોક્ષ’

સંપાદકીય

અનંત અવતારથી મોક્ષે જવાના જીવના પ્રયત્નોમાં કેટલીય વાર ચઢે છે ને કેટલીય વાર પડે છે, પણ ઈચ્છિત પરિણામ મેળવી શકાતું નથી. એમાં કયા પરિબળો કારણભૂત હશે ? મોક્ષમાર્ગમાં ઊંચે ચઢતા ચઢતા અમુક એવા બાધક કારણો હોય છે, તે સાધકને થાપ ખવડાવી દે છે. ચઢવાના રસ્તાની જેટલી મહત્તા છે, તેના કરતા પણ લપસણીયા બાધક કારણો જાણવાની અનેકગણી મહત્વતા છે. જ્ઞાનીકૃપાથી અક્રમ વિજ્ઞાન થકી આપણને સહુને મોક્ષમાર્ગમાં ઊંચે ચઢવાનો માર્ગ તો મળી ગયો છે, પણ આપણને મોક્ષમાર્ગમાં બાધક એવા એક કારણ ‘માન’ કષાય પર દાદાશ્રીની વાણીનો અહીં સંક્ષિપ્તમાં અભ્યાસ કરીશું.

માનનું સ્વરૂપ સમજાવતા દાદાશ્રી કહે છે, અહંકારનું વિસ્તૃત સ્વરૂપ તે ‘માન.’ માનીના લક્ષણો જેમ કે માન ક્યાંથી મળે, અપમાન કેવી રીતે ટળે, સતત અપમાનનો ભય લાગ્યા કરે અને કોઈ અપમાન કરે તો તેના ઉપર ક્રોધ થઈ જાય વિગેરે. માનની ગાંઠની શરૂઆત ક્યાંથી થાય છે ? માનમાં સ્વાદ, મીઠાશ આવે પછી માનનો રાગ, માનમાં લોભ, માનની ભૂખ, માનની ભીખ પેસે ને છેવટે માનની વિકૃતિ થાય. એટલે કે માન માટે કપટ કરાવે. માનનો તો નિકાલ થઈ શકે પણ માનની ભૂખ અને ભીખનું મુશ્કેલ છે, જે જાગૃતિને મંદ કરે છે. આ માન એ એવો ચીકણો દોષ છે કે કોઈ માન આપે એટલે માન આપનાર પર મીઠી દ્રષ્ટિ થઈ જાય, જે આગળ જતા વિષયના ખાડામાં પણ પાડી શકે. માટે માન સામે ચેતવું ખૂબ જરૂરી છે. કૃપાળુદેવે પણ કહ્યું છે ને કે ‘જગતમાં માન ના હોત તો અહીં જ મોક્ષ થાત !’ માન જ આ સંસારનું મુખ્ય કારણ છે.

આ માન શાથી ટક્યું છે ? સામાને હલકો માનવાથી, સામાનો તિરસ્કાર કરવાથી. ‘હું કંઈક છું’ એ ભાવ જ સામાને દુઃખ આપે છે. માનની ગાંઠને તોડવાના સચોટ ઉપાયોનું વર્ણન કરતા દાદાશ્રી કહે છે, કે માન ગમે તેનો વાંધો નથી પણ સાથે એ જાગૃતિ રહેવી જોઈએ કે આ માન ખોટું છે, માનની ઈચ્છા ના હોવી જોઈએ. જ્યારે અપમાન કરનારો ઉપકારી ગણાશે, ત્યારે માન છેદાઈ જશે. આ ઉપરાંત, આજ્ઞાના ઉપાય જેમ કે, માન-અપમાન પુદ્ગલને અડે છે, આપણને શુદ્ધાત્માને અડતું નથી તેવી જાગૃતિ તેમજ માનની ગાંઠ ઓગાળવાની વિશેષ ચાવી - ‘જેને કંઈ જ જોઈતું નથી, એનું બધું કામ થઈ જાય છે.’

દાદાશ્રી કહે છે કે માન અને મોક્ષને વેર છે. થોડાક માન માટે મનુષ્ય આ મહામૂલા જ્ઞાનને પણ ધૂળધાણી કરી નાખે છે. અક્રમ માર્ગ એટલે પ્યોરિટીનો માર્ગ ! મોક્ષના ધ્યેયમાં બાધક ‘માન’ કષાયના સ્વરૂપને ઓળખીને ‘માન’ સામેની પ્યોરિટીનો પુરુષાર્થ આદરવા માટે પ્રસ્તુત અંક પ્રેક્ટિકલી મહાત્માઓને ખૂટતી ચાવીઓ પૂરી પાડે તેજ હૃદયથી અભ્યર્થના.

~ જય સચ્ચિદાનંદ.

‘માન’ ના હોત તો અહીં જ ‘મોક્ષ’

(પા.૪)

અહંકાર એટલે નિર્બળતા

પ્રશ્નકર્તા : જગતના બધા લોકો અહંકારના જાળામાં ભટકાય છે.

દાદાશ્રી : હા, ભટકાય છે, બસ ! અહંકાર એટલે શું ? નિર્બળતા.

અહંકારને લઈને જ બધી શક્તિઓ વેડફાઈ ગઈ છે ને ! એ આંધળો હોય હંમેશાંય. જેટલો અહંકાર એટલું આંધળાપણું છે. જેમ જેમ મેં મારો અહંકાર જતો જોયો તેમ તેમ આંખો ખુલતી ગઈ. આંધળાપણાને લઈને પોતાના દોષો પોતાને દેખાય નહીં. એ અહંકાર ઓછો થઈ જાય ત્યારે પોતાના દોષ દેખાય.

એ અહંકારના પાછા ચાર ભાગ પડે; ક્રોધ-માન-માયા-લોભ. આ લોભમાં પડે, પૈસામાં પડે તો લોભાંધ થઈ જાય, માનમાં પડે તો માનાંધ થઈ જાય, ક્રોધમાં પડે તો ક્રોધાંધ થઈ જાય. બધાયમાં અંધપણું હોય. ગમે તેમાં પણ અહંકાર એ જ અંધપણું છે. અહંકાર એ ભ્રાંતિથી ઊભી થયેલી વસ્તુ છે.

અહંકાર-માન-અભિમાનના લક્ષણો

પ્રશ્નકર્તા : અહંકાર, માન ને અભિમાન, એમાં ફેર શો ?

દાદાશ્રી : અહંકાર એટલે શું ? જે પોતે નથી, તેનો આરોપ કરવો. પોતે છે એ જાણે નહીં અને નથી તેનો આરોપ કરવો, એનું નામ અહંકાર. અહંકાર એટલે વસ્તુના આધારે નહીં. એની માન્યતામાં શું વર્તે છે ? ‘જે નથી એવો.’ ‘હું’ ‘ચંદુભાઈ’ નથી પણ માને છે કે ‘હું ચંદુભાઈ છું’ એ જ અહંકાર ! અહંકાર એકલો હોય, મમતા વગર હોય, તો એ અહંકાર કહેવાય અને અહંકારનું વિસ્તૃત સ્વરૂપ એ માન કહેવાય.

માન એટલે શું ? એની પાસે ‘ડીગ્રી’ કે ‘ક્વૉલિટી’ નથી એ જોવાનું નહીં, ને ગુણની વાત તો ક્યાં ગઈ પણ ‘ઈગો વીથ રીચ મટેરીયલ્સ’ એ માન.

અહીં આગળ ‘ફર્સ્ટ કલાસ’ કપડાં પહેરી, ચશ્મા સોનાની ફ્રેમવાળા છેઅને ત્રણ હજારનું ઘડિયાળ ઘાલીને, આટલી જરા બાંય ઊંચી રાખે આમ, લોકોને દેખાય એટલે. પછી કોઈ કહેશે, ‘કેમ છો શેઠ ?’ તે આ માન દેખાય આપણને ખુલ્લું. કારણ કે એની પાસે સામાન સારો સારો શણગારેલો પહેર્યો હોય, એ માન કહેવાય. એટલે આ બધા એના લક્ષણ !

પ્રશ્નકર્તા : એ પછી માનમાંથી જ અભિમાન જન્મતું હશે ને ?

દાદાશ્રી : ના. અભિમાન ક્યારે જન્મે ? મમતા હોય તો અભિમાન જન્મે.

અહંકાર, પછી એ મમતા સ્વરૂપની સાથે થયો એટલે અભિમાન ઊભું થયું. કંઈ પણ મમતા, ગમે તે જાતની ! એટલે કોઈ પણ પ્રકારની મમતા સહિત છે એ અભિમાન થયું.

‘આ મારી મોટર’ કહેશે, એ દેખાડવાની પાછળ શું હોય છે ? અભિમાન. એના છોકરા ગોરાં સરખા હોય તો આપણને દેખાડે, ‘જુઓ, મારા આ ચારેવ છોકરાં દેખાડું.’ તે પાછું મમતા ને અભિમાન ! એટલે જ્યાં અભિમાન હોય, ત્યાં આવું બધું આપણને દેખાડ દેખાડ કર્યા કરે.

(પા.૫)

અહંકાર જુદી દશા છે અને અભિમાન જુદી દશા છે.અને માન એટલે અહંકારનું વિસ્તૃત સ્વરૂપ, બહુવચન થયેલું.

ફેર, અહંકારી અને માની વચ્ચે

પ્રશ્નકર્તા : અહંકારી અને માની, એ બે વચ્ચેનો ફેર શું ?

દાદાશ્રી : આ પેલો મજૂર જતો હોય, એટલે આપણે કહીએ, ‘અલ્યા, શું તારું નામ ?’ ત્યારે એ કહે, ‘લલવો.’ હવે એ પોતાને લલ્લુભાઈ નથી કહેતો, એટલે આપણે જાણીએ કે એ અહંકારી એકલો જ છે.

અને આપણે કોઈકને પૂછીએ, કે ‘શું નામ ?’ ત્યારે એ કહે, કે ‘લલ્લુભાઈ.’ એટલે આપણે જાણીએ કે આ માની હઉ છે જોડે.

અને બીજો કોઈક જતો હોય એટલે આપણે કહીએ, ‘કોણ છો તમે ?’ ત્યારે એ કહે, ‘હું લલ્લુભાઈ વકીલ. ના ઓળખ્યો મને ?’ એટલે અભિમાની હઉ કહેવાય.

‘હું ચંદુભાઈ છું’ એ અહંકાર અને આ મારી વાઈફ છે, કહેવું એ અભિમાન. ‘હું’પણું બતાવવું એ અહંકાર અને ‘મારાપણું’ બતાવવું એ અભિમાન.

અહંકારીને અપમાનનો ભો ના લાગે, માનીને અપમાનનો ભો હોય. જે માની હોય, તેને અપમાનનો ભો લાગ્યા કરે. માન હોય તો અપમાન લાગે ને ! માન જ ના હોય ત્યાં ?

પ્રશ્નકર્તા : પણ જ્યારે અહંકારનું ખંડન થાય ત્યારે એને અપમાન લાગે ને ?

દાદાશ્રી : ના. એ તો અહંકાર ભગ્ન કર્યો કહેવાય. પણ આ માની હોય તો જ અપમાન લાગે.

ખાનદાનીનું માન

વધારે અહંકારી કોણ હોય કે જેણે માન ના દીઠું હોય અને પછી માન મળ્યું એ બહુ અહંકારી. જેણે માન જોયું હોય ને તેને માન મળે તો અહંકાર ના હોય, એ ખાનદાની હોય. અને જેણે માન જોયું જ નથી એને કહો, સાહેબ, એટલે સાહેબ ચગે મહીં. ખુરશીમાં બેઠો બેઠો ચગે. પછી એને ખખડાવનાર જોઈએ, ખખડાવનાર ! તે પણ ઉતારી દે થોડું, તો...

પ્રશ્નકર્તા : તો આવી જાય ઠેકાણે.

અપમાનનો ભય એ ડબલ માન

દાદાશ્રી : ડબલ માન તેનું નામ અપમાન. પેલું માન તે સીંગલ માન અને આ બે વખત માન તે અપમાન. અપમાનમાં ચાર શબ્દો ને માનમાં બે શબ્દો છે.

માની કેમ કરીને માન મળે, કેમ કરીને અપમાન ના થાય એની જાળવણીમાં જ હોય. એની જાળવણી આખો દા’ડો હોય. કોઈ કહેશે, ‘આટલા રૂપિયા ગયા.’ ‘એ ગયા તો ગયા મૂઆ, પણ એમાં અપમાન નથી થયું ને !’ ત્યારે કહે, ‘ના.’ એ અહંકારની જાળવણી. એમાં જ રમણતા, એને પરરમણતા કહેવાય, પૌદ્ગલિક રમણતા.

માની હોય તે માનની જ ગોઠવણી કર્યા કરતો હોય, આખો દહાડોય ! જ્યારે જગાડો ત્યારે માનની ગોઠવણી, એને અપમાન કેમ ના થાય, અપમાન કેમ ના થાય, એના ભયમાં જ, એમાં ને એમાં જ તકેદારી રહે. આ વગર કામની માથે પીડા લઈને ફર્યા કરે !

જુઓ માનબજારમાં માનીનો ઉપયોગ

બે પ્રકારના માની : એક, માનની ભૂખમાં ઉછરેલો અને બીજો, માનથી ટેવાયેલો. માનની ભૂખમાં ઉછરેલો તે ક્યારેય આ જ્ઞાનને ના પામે. પણ જે માનમાં જ ઉછરેલો તે આ જ્ઞાન પામે.

(પા.૬)

આપણે ત્યાં જે બધા આવ્યા છે તે માનબજારવાળા જ આવ્યા છે. માનબજારવાળા માટે મોક્ષ ખુલ્લો છે. લોભ બજારવાળા માટે મોક્ષનો દરવાજો ખુલ્લો નથી.

લગ્નમાં માની ગયો હોય ને જરાક હાથ જોડીને જે જે કરવાનું પેલો ઉતાવળમાં ભૂલી ગયો તો મહીં છાતીના પાટિયાં બેસી જાય. અને આને આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ કરે, તેનાથી મહીં ભયંકર અશુભ ઉપયોગ થાય.

લગ્નમાં બે બજાર ભેગા થાય. એક મોહબજાર અને એક માનબજાર. મોહબજારમાં સ્ત્રીઓ હોય ને માનબજારમાં પુરુષ. માનબજારમાં પુરુષો હોય છે, તે પાછા બહાર છે તે મૂળ તો એક માનબજારને પેસતા જ ઈન્વાઈટ કરનારા ઊભા હોય. ‘આવો આવો આવો’, તે ઈશ્વરભાઈ જાણે કે શુંયે મલીદો મળી ગયો ! પેલો તો એનો અવસર સારો દેખાય એટલા હારુ બોલાવે છે. તમે મનમાં એમ માનો, ઓહોહો ! હવે પેલો તો એનો અવસર સારો દેખાય ને, એટલા સારું કરે છે ને ! એ તો વ્યવહારમાં કરવું પડે ને એટલા માટે, પેલો કંઈ તમારું રૂપ જોઈને કે તમારો ઓપ જોઈને નથી કરતો. હવે ઈશ્વરભાઈ જોડે ચીમનભાઈ આવ્યા હોય ને, ચીમનભાઈને આમ કરતા હોય ને, તે ઘડીએ ચીમનભાઈએ દેખ્યું ના હોય અને ચીમનભાઈએ જ્યારે આમ કર્યું હોય ત્યારે પેલાભાઈએ દેખ્યું ના હોય. ત્યારે ચીમનભાઈ મનમાં પાછા અકળાયા કરે કે પેલાએ મને જે જે ના કર્યા. આ માનબજાર કહેવાય.

આ માનબજાર તે પાછું એવું કે વચ્ચે નવીનભાઈને બેસાડ્યા હોય. પહેલા નવીનભાઈ બેસે કે બરાબર છે જગ્યા આ. ત્યારે લક્ષ્મીચંદ આવ્યા. એટલે પેલા ધણી પકડી લાવે એક-એકને. લાવીને પાછા નવીનભાઈને કહેશે કે ખસો. ત્યારે મૂઆ, ખસવાનું હતું તો મને અહીં બેસાડવો નહોતો. ઉલ્ટું આ મારું ધોતીયું ઘસાય જાય ને મારું નાક કપાઈ જાય, એના કરતાં ના બેસાડ્યા હોત તો. એના કરતા બીજી જગ્યાએ સારું હતું. એટલે અમારે અહીં એક વકીલ હતા. તે બહુ સારા માણસ હતા. તે વકીલને બેસાડેલા આવી રીતે વચમાં અને મને બોલાવેલો પણ તે દહાડે જ્ઞાન પ્રગટ થયેલું નહીં. એટલે અંબાલાલભાઈ સારા માણસ છે ને કોન્ટ્રાક્ટર મોટા છે, એવી રીતે બોલાવે. કંઈ લાંબો કોટ પહેરે છે એટલે બોલાવે. એટલે હું સમજી ગયેલો પહેલેથી, માટે આ માનબજારમાં હું કોઈ દહાડો બેસતો ન્હોતો. માનબજારમાં મને જ્યાં ઠીક લાગે ત્યાં બેસતો.

તે પછી પેલા વકીલને વચ્ચે બેસાડ્યા. પછી મગનભાઈ શંકરભાઈ આવ્યા, તે એમને ખસવું પડે. તે પેલા વકીલનો સ્વભાવ જાણું કે આમને અકળામણ થઈ જાય એવા છે. તે એના મોઢા સામે જોયા કરું કે મોઢું એમનું ચુન ચુન થયા કરે. તે ઝવેર લક્ષ્મીચંદ આવ્યા, તે પાછું ખસવું પડ્યું. આઠ જગ્યા ખસવી પડી. એટલે જ્યારે આ નાટક પૂરું થયું ને પેલું પીવાનું આવ્યું ને, તે અડે નહીં. એનું મોઢું જ બગડી ગયું ને ! પોતાને ગમ્યું નહીં કે આ અહીં કંઈ આવી પડ્યો ! ફસાઈ પડ્યો આ ! તે પીવાનું પીધું નહીં. બહાર કેવું સરસ બેન્ડ વાગતું હતું, તે સાંભળ્યું નહીં. આ અકળાટ કર્યા કરે મહીં. બેસી રહ્યા ત્યાં સુધી તે હું એમના મોઢા ઉપર જોયા કરું કે હવે વકીલ અકળાટ કર્યા કરે છે. વકીલ માણસ સારા પણ દરેક માણસને અકળાટ થાય ને હવે, કષાયના ભરેલા છે ને !

તે વકીલ બહાર જતી વખતે ભેગો થયો ને, તે જરા ગમ્મત જોવા માટે, આ માનબજારનો શો ફાયદો છે તે જોવા માટે, ‘કેમ છો સાહેબ ?’ ‘આ લોકોને કિંમત નથી’ કહે છે. મેં કહ્યું, ‘આ

(પા.૭)

લોકોને મૂળ કિંમત સમજ પડતી નથી. મને સમજણ પડેને તમારી કિંમત. તમને બેસાડ્યા તે પછી તમને ખસેડવા ના જોઈએ.’ એમ કરીને વાત એમની કઢાવીને તે પાર વગરનું કલ્પાંત કર્યા કરતા હતા. એની જાતને તો શુંયે માની બેઠેલા કે મારા જેવું તો કોઈ જીવડું નહીં હોય ને મારી મા જેવી બીજી મા નહીં હોય. એવું મનમાં માની બેસે લોક. ત્યાં પરલોકમાં જશે ને, તો કોઈ બાપોય પૂછનાર નથી. અહીં મનુષ્યપણું ફરી મળશે તેની ગેરેન્ટી નથી આ કાળમાં.

નખ્ખોદિયું માન

માન એવું ના હોવું જોઈએ કે એને ભવિષ્યમાં ફળ આવે એ અપમાનના હોય. એના ફળ પણ માનના આવવા જોઈએ.

આપણે એનો એક જાડો દાખલો આપું. તને શાક લેવા મોકલ્યો હોય, હવે તારી પાસે પાંચ રૂપિયા શાકના છે અને પેલા જૂના દોસ્તારો મળી ગયા. હવે પેલાએ ચા ના પીધી હોય તે ચંદુને કહે છે, ‘આજ તો ચાનું કંઈક કરો આપણે. હેંડો જરા ચા-બા પા.’ તે ચંદુભાઈ, ચંદુભાઈ કરે ને મૂઓ, એ માનમાં છે તે આપણે બે-અઢી રૂપિયાની એને ચા પાઈ દીધી. હવે પેલાએ ઘેર ચાર રૂપિયાનું શાક મંગાવ્યું હોય. તે શું થાય ? ઘેર આવીને જવાબ શો આપવો ? એટલે ઊલટું આ માન રાખવા માટે અપમાનને, બધાને બોલાવ્યા. અને ઘેર જઈએ એટલે નર્યું અપમાન થાય. પેલો વઢે, પેલો વઢે, પેલો વઢે, અને આપણને ભય પેસી જાય એ તો જુદો. આ જાડી વાતની સમજણ પડી ને ? હવે ઝીણી વાત કર.

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એવા જ માન ખાધા અત્યાર સુધી આ જાડી (વાતની સમજણ) જેવા જ. માન તો કેવું ? આ દાદાને માન મળે છે તેના ડૂંડા અપમાનના ના આવે. મોટા મોટા માનના ડૂંડા આવે. કારણ કે સાચી નોટના જ રૂપિયા લેવા. કેવા ?

પ્રશ્નકર્તા : હા, સાચી નોટના રૂપિયા લેવા.

દાદાશ્રી : હા, અને ધારો કે ખોટી નોટ વટાઈ ગઈ ને પછી એ રૂપિયા વાપરી ખાધા પણ એ નોટનું પછી રહ્યું. પેલો સવારમાં બૂમાબૂમ કરે કે ‘લાવ બા, મારા પૈસા લાવ પાછા.’ હવે આપણે તો રાતે વાપરી ખાધા, માન ચપટી મળ્યું તે. બધાને સિનેમા દેખાડી દીધો મેં. અને પેલો બોલ્યો, તે અપમાન લાગે બળ્યું. આને ગાંડપણ કહેવાય, મેડનેસ કહેવાય. એ બધેય હોય. આની આ જ મેડનેસથી તો જગત આખું મેડ થઈ ગયું છે. એવું માન આપણે જોઈતુંય નથી, કહીએ આ નખ્ખોદિયું માન કહેવાય. કેવું ? નખ્ખોદ ઘાલે પછી છેવટે. નખ્ખોદ ઘાલે કે ના ઘાલે ?

પ્રશ્નકર્તાý : હા, ઘાલે જ ને !

દાદાશ્રી : હં. આ તું શાક લેવા નીકળ્યો હોય અને ત્યાં રસ્તામાં (મિત્રો માટે) રૂપિયા ખર્ચી નાખ્યા, તો પછી નખ્ખોદિયું માન થાય ને ?

પ્રશ્નકર્તા : નખ્ખોદિયું જ થાય.

દાદાશ્રી : એટલે સાચી નોટના રૂપિયા લેવા આપણે. એવું ત્યાં સુધી માન ખાધા વગર રહેવું.

અપમાનની તરછોડ કરાવે માનનું નિયાણું

માન તો એવું છે, કે અમુક હદ સુધી અપમાન થાય છે, ત્યારે નફ્ફટ થઈ જાય છે અને અમુક પ્રમાણમાં માન મળતું જ જાય તો તે તેને પુષ્ટિ મળતી જાય છે.

પ્રશ્નકર્તા : એ દાદા, પહેલેથી ચાલ્યું આવતું હશે ને ?

(પા.૮)

દાદાશ્રી : અનાદિકાળથી જ બધું આનું આ જ માન અને અપમાન ! મનુષ્યમાં આવ્યો ત્યાંથી માન અને અપમાન, નહીં તો બીજી વંશાવળીમાં, બીજી યોનિમાં એવું કશુંય નથી. અહીં મનુષ્યમાં ને ત્યાં દેવલોકોમાંય માન-અપમાનની બહુ ધમાલ છે.

પ્રશ્નકર્તા : બીજી યોનિમાં જાય પછી આ માન-અપમાન ભૂલી જતા હશે ?

દાદાશ્રી : ભૂલી જાય. આ અહીંથી ગયો ત્યાંથી જ ભૂલી જાય બધું, યાદ ના રહે. આપણે ચોથે દહાડે શું ખાધું હતું, તે તમને યાદ છે ?

પ્રશ્નકર્તા : ના. પણ વેર-ઝેર, માન-અપમાન, એ બધું જીવને યાદ રહે અને આ બધું કેમ ભૂલી જાય છે ?

દાદાશ્રી : ના, એય યાદ નથી રહેતું. આ ક્રોધ-માન-માયા-લોભ એકલું જ યાદ રહે છે અને પેલી ચાર સંજ્ઞાઓ તો કાયમ રહે છે. બાકી, વેર-ઝેર તો પછી થાય છે. એ યાદ આવતું નથી. અપમાન થાય કે બૂમાબૂમ કરે.

હવે માન બહુ મળે તો માનની ભૂખ મટી જાય. ‘આઉટ ઑફ પ્રમાણ’ માન મળ્યા જ કરે, તો પછી માનની ભૂખ મટી જાય. પછી એને માન ના ગમે. અમને ઓછું માન આપતા હશે લોક ? એવું માન તમને મળે તો ભૂખ મટી જાય પછી.

હવે નાનપણમાં હરેક બાબતમાં જેને માન મળેલું હોય, તેને માનની ભૂખ મોટી ઉંમરમાં હોય નહીં. નાનપણમાં માનની ભૂખ મટેલી હોય તો માનની પડેલી ના હોય. અપમાનની તરછોડ વાગે તો માણસ ખલાસ થઈ જાય. નાનપણમાં બે-પાંચ-દસ વખત અપમાન જો થઈ જાય ને માન મળતું ના હોય ને માનનો તરછોડાયેલો હોય. તે મનમાં નક્કી કરે કે મારે ગમે તે રસ્તેથી આ લોકોની પાસેથી માન લેવું છે. તે એનો ધ્યેય બદલાઈ ગયો હોય અને તે માનમાં ભળી ગયો હોય.

ત્યારે માનનું જ એણે નિયાણું કર્યું હોય. તે મોટી ઉંમરમાં બહુ માની થાય, સખત માની થાય. નાનપણમાં જ એણે નક્કી કર્યું હોય કે મારે હવે આ બધાની ‘આગળ’ જવું છે. એટલે પછી એ હેન્ડલ મારીને ‘આ બધાથી આગળ આવું ત્યારે જ ખરો’, કહેશે ને એ આગળ આવે પણ ખરો ! હા, તન તોડીને મહેનત બધું જ કરે, પણ આગળ જાય.

માન એ હિંસકભાવ જ

માન એ તિરસ્કાર છે, બીજાનો તિરસ્કાર કરવાનો ભાવ છે. એ બધું જ રૌદ્રધ્યાન છે. ક્રોધ- માન-માયા-લોભ એ રૌદ્રધ્યાન છે.

એવું છે, ક્રોધ-માન-માયા-લોભ બધું હિંસકભાવ જ છે. આ ક્રોધ-માન-માયા-લોભ એ બધી હિંસા જ ગણાય છે.

પ્રશ્નકર્તા : આપે કહ્યું ને, કષાયમાં હિંસકભાવ હોય તો માનમાં હિંસકભાવ કેવો હોય, એ સમજાવો.

દાદાશ્રી : માન પોતે જ હિંસકભાવ છે. માની માણસ બીજાની હિંસા કરે છે. એ તો સામો કંઈક કામની જરૂરિયાતવાળો હોય, કોઈ સ્વાર્થી હોય, મતલબી હોય, એ તો નભાવી લે. પણ બીજાને તો માની માણસ કેવો લાગે ? હવે માનની અંદર ક્રોધ ભરાયેલો જ છે, તિરસ્કાર હોય જ. હું કંઈક છું, કે તિરસ્કારે લોકોને. માન એટલે જ તિરસ્કાર. અને અભિમાની તો બહુ તિરસ્કાર કરે.

ભગવાને કહ્યું, કે ક્રોધ અને માનને લીધે લોકોને દુઃખ થાય છે. માનને લીધે તિરસ્કાર થાય. માન તિરસ્કાર પ્રગટ કરે છે. ક્રોધ બળે ને બાળે.

(પા.૯)

એનો ઉપાય ભગવાનના વાક્યો સાંભળીને લોકો કરવા ગયા. ક્રોધ ના કરાય, માન ના કરાય. તે ત્રિયોગ સાધના કરવા લાગ્યા. ત્રિયોગ સાધનાથી ક્રોધ-માન કંઈક ઓછા થયા ને બુદ્ધિનો પ્રકાશ વધ્યો. બુદ્ધિનો પ્રકાશ વધવાથી લોભનું રક્ષણ કરવા કપટ વધાર્યું. ક્રોધ ને માન ભોળાં હોય. કોઈકેય બતાડનાર મળે. જ્યારે આ લોભ અને કપટ તો એવા કે ધણીનેય ખબર ના પડે. એ તો પેઠા પછી નીકળવાનું નામ ના લે.

આ ક્રોધ-માન-માયા-લોભ જે છે ને, એમાં લોભની પ્રકૃતિ એવી છે કે પોતાને ધણીનેય માલમ ના હોય કે મને મહીં કેટલો લોભ છે ! એટલે લોભ એટલો બધો કપટવાળો છે. ક્રોધનો સ્વભાવ ભોળો છે. ધણીને તો શું પણ પારકો માણસેય કહી જાય કે આટલો બધો ક્રોધ શું કરો છો ? પણ લોભની તો પોતાને ખબર જ ના પડે. લોભથી માણસ બધું ઊંધું ચાલે છે ને ! અને લોભની પ્રકૃતિ જાય એવી નથી, અનંત અવતાર સુધી લોભની પ્રકૃતિ ના જાય. કારણ કે લોભની રાગપ્રકૃતિ છે, એ દ્વેષપ્રકૃતિ નથી. અને રાગપ્રકૃતિ ઠંડકવાળી હોય. એટલે એ પ્રકૃતિ છૂટવા નથી દેતી, એ તો બહુ ભારે પ્રકૃતિ છે. લોભ અને કપટ, એ બે રાગપ્રકૃતિમાં જાય ને ક્રોધ અને માન, એ દ્વેષપ્રકૃતિમાં જાય. દ્વેષપ્રકૃતિનું તો આપણને પકડાઈ જાય, પણ રાગપ્રકૃતિ તો પકડાય નહીં. ધણીનેય ના પકડાય ને ! કારણ કે એમાં તો એટલી બધી મીઠાશ વર્તતી હોય ને ! લોકોને તો માન અને અપમાનની જ પડેલી છે ને બધી !

માનનું રક્ષણ કરે ક્રોધરૂપી ગુરખો

ક્રોધ-માન-માયા-લોભ બે જાતના : એક વાળી શકાય તેવા - નિવાર્ય. બીજા વાળી ના શકાય તેવા - અનિવાર્ય !

મોક્ષે જતા કોણ રખડાવે છે ? ક્રોધ-માન-માયા-લોભ. લોભનું રક્ષણ કરવા માટે કપટ છે, તે કપડું વેચતા આંગળ (જેટલું) કાપી લે. માનનું રક્ષણ કરવા ક્રોધ છે. આ ચારેયને આધારે લોક જીવી રહ્યા છે !

આ ક્રોધ-માન-માયા-લોભની નબળાઈઓ છે, તો મુસીબતોનો સામનો શી રીતે થાય ?

ક્રોધ-માન-માયા-લોભ છે. આમાં ક્રોધ અને માયા એ તો માન અને લોભના રક્ષકો છે. લોભનો ખરેખર રક્ષક માયા છે અને માનનો ખરેખર રક્ષક ક્રોધ. છતાંયે માનને માટે પછી માયા થોડીઘણી વપરાય. કપટ કરીને પણ માન મેળવી લે.

ક્રોધ અમથો બેસી ના રહે. એ તો માન નામનો શત્રુ પેઠેલો હોય ત્યારે જ એ બેસી રહે. ક્રોધ તો માનનું રક્ષણ કરવા માટે હોય. એટલે જ્યાં સુધી માન છે ત્યાં સુધી ગુરખો રહેવાનો જ.

પ્રશ્નકર્તા : ક્રોધ શા માટે કરે ?

દાદાશ્રી : ક્રોધ તો, પોતાના માનને હરકત આવે ત્યારે ક્રોધ કરી લે. પોતાનું માન ઘવાતું હોય ત્યારે ક્રોધથી માનનું રક્ષણ કરે. માનનો રક્ષક ક્રોધ.

‘માને’ (ક્રોધ નામનો) ગુરખો રાખેલો છે, કે જો અપમાન કરવા આવે તો તેને કહે, ‘તેલ કાઢી નાખજે.’ અને પેલો એક લોભ છે, તેણેય એક ગુરખો રાખ્યો છે. તે કપટ નામનો ગુરખો રાખ્યો છે. એને જ માયા કહી. અને લોભ જતો રહે તો એ માયા જતી રહે.

માનીને કોઈ ટૈડકાવે તો તે ના હસે. તરત જ તેનો ક્રોધ ભભૂકી ઉઠે, પણ લોભિયાને ક્રોધ આવે નહીં.

માની તો બહાર નીકળે ત્યાંથી જ માનમાં ને માનમાં જ રહે. રસ્તામાંય જ્યાં જાય ત્યાં માનમાં જ અને પાછો આવે તોય માનમાં જ. પણ જો કોઈ અપમાન કરે ત્યાં તે ક્રોધ કરે.

(પા.૧૦)

માનની ગાંઠના લક્ષણો

ચાર પ્રકારની ગાંઠો છે; ક્રોધ-માન-માયા-લોભ. હવે માનની ગાંઠ હોય તે સવારથી નક્કી કરે, શું કરીશું તો આજે માન મળે ? અને માન ક્યાં મળશે, આખો દહાડો એની ગણતરી હોય. અને માન મળવાનું હોય, તે દહાડે આજુબાજુ ઓળખાણવાળાને લઈ જવા ફરે, કે આવજો મારી ઘરની વાડીમાં, ચા હઉ પાય એમાં ! એનું માન દેખાડવા માટે. એનું માન લોકો જુએ એટલા માટે કરે કે ના કરે આવું ?

પ્રશ્નકર્તા : માન થયું, એ કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : આપણે આમ જે’ જે’ કરીએ એટલે તરત એના મોઢા ઉપર ખબર પડે. આ શરીર-બરીર ટાઈટ થયું કે તરત માલુમ પડે. અને પેલાએ જે’ જે’ ના કર્યું તોય એને અસર થાય. ડિપ્રેશન આવી જાય, એ માન ખબર પડે તરત. અમને એવું તેવું ના થાય. એ માનની ગાંઠવાળાને અમે ઓળખી જવાના. એ માનની ગાંઠ છે.

પ્રશ્નકર્તા : માનની ગાંઠ હોય તો એના પરિણામ શું હોય ?

દાદાશ્રી : માનની ગાંઠો હોય તો એ ગાંઠ ફૂટે ને આપણને ભય, ભય ને ભય, એવું તેવું બધું દેખાડે. એ લૌકિક જ્ઞાન છે તે ભય ને એ બધું દેખાડે. એ બધી ગાંઠો ફૂટે. તેમાં કઈ વધારે ફૂટે છે આખા દહાડામાં, એ ગાંઠ મોટી.

જેના બહુ વિચાર આવે ત્યારે એ ગ્રંથિ મોટી, બટાકા જેવડી મોટી હોય.

જેને માનની મોટી ગાંઠ હોય તેને, ‘કંઈ અપમાન થઈ જશે, કંઈ અપમાન થઈ જશે’ એમ રહ્યા કરે અથવા ‘ક્યાંથી માન મળશે, ક્યાંથી માન મળશે’, એમાં જ તન્મયાકાર રહે !

તિરસ્કાર-દુઃખ, એ માન ના જોઈએ

પ્રશ્નકર્તા : દાદા, આ માનના પરમાણુ હોય બહુ જ, તો નુકસાનકારક કહેવાય ?

દાદાશ્રી : કયા ?

પ્રશ્નકર્તા : એવું માન હોય કે, ચાલો ભઈ, આનું ભલું કરીએ, આનું સારું કરીએ.

દાદાશ્રી : ના, કોઈ વસ્તુ નુકસાનકારક છે નહીં. નુકસાનકારક તો બીજાને તિરસ્કારવાળું માન એ વ્યક્તિને નુકસાનકારક છે.

માન એટલે કોને કહેવું ? જે માન એક્સેસ હોય, લોકોને તિરસ્કારવાળું હોય, બાકી આ હું સારું કરું, એનો વાંધો છે જ નહીં.

પ્રશ્નકર્તા : હું આમ બહુ એનાલીસીસ (પૃથક્કરણ) કરું ત્યારે એમ લાગે કે ઊંડે ઊંડે એવી એક ઈચ્છા રહી હોય, કે આમ માન, વટ પણ એ કેવી જાતનો, કોઈનો લાભ લેવા માટે નહીં, કોઈનું સારું કરવા માટે.

દાદાશ્રી : આ જે માન છે ને, તે માન તમને આ જગ્યાએ લાવ્યું. નહીં તો આ માન જો ભરેલું ના હોત તો તમે બીજી જગ્યાએ હોત.

પ્રશ્નકર્તા : કેમ કે સીમંધર સ્વામીનું મંદિર હોય ને, તો મને એમ થાય, કે હું તો આમાં હરીફાઈમાં ઊતરું.

દાદાશ્રી : એના જેવી વાત જ ના હોય ને આ દુનિયામાં. એ તો બહુ સારામાં સારી વસ્તુ.

બાકી માન કોને કહેવાય ? હું તમને કંઈક કહું પણ બીજાને દુઃખ થાય એવું હોય, પછી એવું આપણું વર્તન હોય તેને માન કહેવાય.

(પા.૧૧)

માન ગમે તો...

પ્રશ્નકર્તા : કોઈ માન આપે ને ગમે, એ શું માનની ભીખ કહેવાય ?

દાદાશ્રી : ના. એ તો ગમે, એ તો સ્વાભાવિક રીતે ગમે જ. તમને ખાંડવાળી ચા ગમે કે ખાંડ વગરની ? એ તો ખાંડવાળી ચા સ્વાભાવિક ગમે જ. પણ કોઈક કહેશે, કે ‘ભઈ, મને તો ખાંડ વગરની જ ચા ગમે છે, બોલો !’ ત્યારે હું કહું કે એ અહંકાર છે. એના કરતાં ખાંડવાળી ચા પી ને, છાનોમાનો. સ્વાદિષ્ટ તો રહે. ખરું કે ખોટું ?

પ્રશ્નકર્તા : હવે માન ગમે તો કેવું કહેવાય ?

દાદાશ્રી : એ ગમે તો એનો વાંધો નથી. ગમે તો ખરું ને ! પણ છો ને માન ગમે, કશો વાંધો નહીં. કોઈ કહેશે, કે ‘એ માનનો મારાથી નિકાલ થતો નથી.’ તો હું કહું, કે ‘હવે આ ભવમાં નિકાલ નહીં થાય, તો આવતે ભવ નિકાલ કરીશું.’ પણ માન ખા નિરાંતે !

‘માન’ આપનાર પર રાગ નહીં

એટલે માનની ઈચ્છા ના હોવી જોઈએ. માન આપેલું હોય ને તમારી થાળીમાં આવે તો ખાવ નિરાંતે. અને ધીમે રહીને, આસ્તે રહીને ખાવ, રોફથી ખાવ. પણ એની ઈચ્છા ના હોવી જોઈએ.

પ્રશ્નકર્તા : પણ એ માન વટાવે, એમાં એને કંઈ વાંધો ના આવે ?

દાદાશ્રી : માન વટાવે એમાં શું વાંધો ? માન તો વટાય, તે તો ખર્ચાઈ ગયું. ફરી હવે ઊભું નથી થતું ને ? માન તો ચાખો. હું કહું છું ને, ચાખો. પછી કંઈ ત્યાં આગળ ચાખવાનું છે ? ત્યાં સિદ્ધગતિમાં કંઈ માન મળવાનું છે ? અહીં મળે એટલું ચાખો નિરાંતે. પણ ટેવ ના પાડી દેશો, ‘હેબિચ્યુએટેડ’ ના થશો.

પ્રશ્નકર્તા : એ માન નીચે પાડી ન દે ?

દાદાશ્રી : એ તો અભિમાન નીચે લઈ જાય. એટલે લોક માન આપે તો ચાખવામાં વાંધો નથી, પણ જોડે જોડે એમ રહેવું જોઈએ કે આ ન હોવું ઘટે. માન આપે તે લેવાની આપણે છૂટ આપી છે, માન વસ્તુની છૂટ છે, પણ માન આપનાર પર રાગ ના થવો જોઈએ.

માનના ‘સ્વાદ’માં લોભ છૂટે

પ્રશ્નકર્તા : દાદા, આ જે અત્યાર સુધી અપમાનના ભયને લીધે જે સંકુચિતતા હતી અગર તો માનની હાનિ થશે, એથી પેલું ‘ડીપ્રેશન’ રહે, અને કોઈ પ્રક્રિયામાં પોતે ભાગ પણ ના લે, આઘા ખસી જાય. તે આ માન મળે એટલે મુક્તતા આવતી ગઈ.

દાદાશ્રી : નહીં, આ લોભગ્રંથિ છે. તેથી એને માન મળે ને જે સ્વાદ આવ્યો એટલે પેલી ગ્રંથિ તૂટવા માંડી. એનાથી લોભગ્રંથિ તૂટે. માનનો સ્વાદ ચાખવાનો મળ્યો એથી લોભની ગ્રંથિ તૂટે, હડહડાટ !

હવે માનની ગાંઠ હોય ને, તે માન એને ફેરવ ફેરવ કરે. જ્યાં માન મળતું હોય, ત્યાં એને કહે કે ‘તમારા નામની એક તક્તી મૂકાવી દઈશું.’ તો કહેશે, ‘પચાસ હજાર લખજો.’ માન મળે ત્યારે લોભ છોડી દે. જ્યારે લોભિયો લાખ માન મળે તોયે લોભ છોડે નહીં.

લોભ પણ માન હેતુવાળો

તારે કઈ કઈ ગાંઠ છે, લોભની અને બીજી ?

પ્રશ્નકર્તા : માન.

દાદાશ્રી : કેટલોક લોભ છે તારે ?

માન હોય, તે માનને સાચવવું હોય તો લોભ

(પા.૧૨)

ઓછો કરી નાખવો પડશે અને લોભ સાચવવો હોય તો માન ઓછું કરી નાખવું પડે. તું તો બેઉ કરવા માગું છું. શી રીતે મેળ ખાશે ?

પ્રશ્નકર્તા : એકેય ના જોઈએ.

દાદાશ્રી : આ શું છે તે હું સમજી ગયો છું. એનો લોભેય જબરજસ્ત છે અને માનેય જબરજસ્ત છે. અને માનેય બરોબર છે. પણ એનો જે લોભ છે ને, તે સરવાળે માન હેતુ માટે જાય છે. હેતુ માનનો છે. એટલે કેવળ એક માન ઉપર જ જાય છે બધું. લોભ શેને માટે કે જે પૈસા હોય ને, એમાંથી પોતાને માન મળતું હોય ને, તો તેમાં વાપરી નાખે. એટલે માનનો લોભ છે.

લોભિયો હોય એને માન-તાનની કંઈ પડેલી ના હોય. કોઈ અપમાન કરે ને સો રૂપિયા આપી જાય તો કહેશે, આપણને સો રૂપિયા નફા સાથે કામ છે ને, છો અપમાન કરશે તો ! એક ફેરો અપમાન કરી ગયો પણ આપણને ઘરમાં તો સો રૂપિયા નફાના આવ્યા ! એ લોભનું કારણ ! અને માનનું કારણ હોય ને, તો એને પાંચસો રૂપિયા ખર્ચ થાય, પણ માન મળે તો બહુ થઈ ગયું.

તે માન અને લોભને લઈને આ જગત ઊભું રહ્યું કે જ્યાં માન નહીં ત્યાં લોભ છે અને લોભ નહીં ત્યાં માન છે. ઉઘાડું દીવા જેવું છે ને ?

માનનો લોભ અને લોભનું માન

પ્રશ્નકર્તા : આપે કહ્યું કે લોભ અને માન સાથે ના હોય અથવા વિરોધાભાસી છે, તો સાથે કેવી રીતે રહે છે ?

દાદાશ્રી : હા, આ તો માન હેતુ માટે લોભ છે, માટે સાથે રહે છે. માનની ખાતર માન હોય અને લોભની ખાતર લોભ હોય ને, માન હેતુ ખાતર લોભ ના હોય તો એ બે સાથે રહી ના શકે. બધો લોભ, જેટલા પૈસા છે ને, એટલું એને માન મળતું હોય ને, તો એને સાથ આપી દે. એટલે એ મૂળ પાછળ લોભ નથી, લોભની પાછળ માન રહેલું છે. એટલે અહંકાર બહુ ભારે છે આ. એ એમ જ જાણે કે મારા જેવો કોઈ અક્કલવાળો નથી !

પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે માનનો લોભ કહેવાય.

દાદાશ્રી : હા, માનનો લોભ. માન પ્રાપ્ત કરવાનો લોભ પણ છેવટે માન ઉપર જાય છે. લોભને માટે નહીં, માનને માટે લોભ !

પ્રશ્નકર્તા : લોભને માટે માન હોય ?

દાદાશ્રી : હા, હોય ને !

પ્રશ્નકર્તા : એ કઈ રીતે ?

દાદાશ્રી : આટલું કમાઉં તો જ મારે નિકાલ થાય, એ એક પ્રકારનું માન. પણ એ અહંકાર કહેવાય, માન ના કહેવાય.

માની માણસ જન્મથી તે મરતાં સુધી માની જ રહેવાનો. માનીને તો એના માનનો જ લોભ હોય. જો માનનો લોભ ના હોય તો એ એટલો ઈગોઈઝમ ઓછો કહેવાય, તે એને ચોખ્ખું દેખાય એ. પણ માનનો લોભ જ થઈ ગયો તો પછી આંધળો જ થઈ ગયો.

છેવટે લોકોને કશાયનો લોભ ના હોય તો માનનો લોભ હોય. લોકોને લોભના માન કરતાં માનનો લોભ બહુ હોય, કારણ કે લોભનું માન નથી હોતું. એટલે માનનો લોભ બહુ હોય છે ! એ લોભ પણ હોય છેવટે. અને લોભથી સંયોગ ઊભો થાય. સંયોગ ઊભો થાય એટલે સંસાર ઊભો થઈ જાય !

(પા.૧૩)

માનનો લોભ કરાવે નિંદા

પ્રશ્નકર્તા : માનનો લોભ ખરો ?

દાદાશ્રી : માનનો લોભ ના ગણાય, સુખનો લોભ કહેવાય. માનના લોભમાં તો પાછી નિંદા પેસી જાય.

પ્રશ્નકર્તા : આ મુંબઈમાં લોકો માનના લોભમાં નહીં ?

દાદાશ્રી : ના, આ માનનો લોભ ખરેખર ગણાતો નથી, સુખનો લોભ હોય છે. માનનો લોભ હંમેશાં ક્યારે કહેવાય કે બીજાની નિંદા કરવાની તેને નવરાશ મળે. મુંબઈ શહેરમાં લોકોને પૂછી આવો જોઈએ, કે ‘તમને બીજાની નિંદા કરવાની નવરાશ છે ?’ ત્યારે કહે, ‘ના.’ એટલે ઘડીવારની નવરાશ આ લોકોને ના હોય અને ત્યાં વઢવાણમાં જઈએ તો ?

પ્રશ્નકર્તા : ત્યાં બધે એ જ હોય.

દાદાશ્રી : છતાં એ અમે શું કહ્યું છે, કે આ હિન્દુસ્તાનમાં નિંદા અને તિરસ્કાર ઘટવા માંડ્યા છે અને લોભ વધ્યો છે. સુખનો લોભ લાગ્યો છે તેથી હિન્દુસ્તાનનું સારું થવાનું છે. આ લક્ષણ પરથી હું સમજી જઉં. ભલે ને જરા મોહ વધશે, પણ બીજું નિંદા-તિરસ્કાર બધું ઘટશે ને ?

પ્રશ્નકર્તા : એટલે જેને માનની પડેલી હોય તો તેને લાલચની પડેલી ના હોય ?

દાદાશ્રી : માનની પડેલી હોય તો તેને અવગુણો બહુ પેસે નહીં, અપમાનના ભયથી જ ના પેસે.

માનની ભીખના લક્ષણો

પ્રશ્નકર્તા : આમ ખબર પડે કે હજુ માન જોઈએછે.

દાદાશ્રી : માન જોઈએ તેનો વાંધો નહીં, પણ માનના સારુ ઉપયોગ રહ્યા કરે કે કેમ કરીને માન મળે, એવું ?

પ્રશ્નકર્તા : ના, એવો ઉપયોગ ના રહે.

દાદાશ્રી : પછી માન ના મળે તો ?

પ્રશ્નકર્તા : તો કંઈ વાંધો નહીં.

દાદાશ્રી : તેનો કશો વાંધો નહીં.

પ્રશ્નકર્તા : પણ માનની લાલચ પેસી જાય તો ?

દાદાશ્રી : હા, એય લાલચ હોય છે. એ જ લાલચ ! એને માનની ભીખ કહીએ છીએ અમે.

માનની કામના હોય એ જ ભીખ કહેવાય છે. કોઈ પણ વસ્તુની કામના એ ભીખ કહેવાય છે. કામના, ભીખ એ નિકાલી બાબત ના ગણાય. કામના, ભીખ નજીક નજીકના શબ્દો છે. બાકી, ઉપયોગ ના જાય તો કશું અડે જ નહીં. એટલે આમાં માર્ગ રૂંધાતો નથી. પણ ભીખવાળો તો બીજા માર્ગે ચઢ્યો એમ કહેવાય.

અમે તો શું કહ્યું છે ? અપમાન ના ગમે તેનો વાંધો નથી, પણ માનની ભીખ નથી રાખવાની.

પ્રશ્નકર્તા : પણ અપમાનનો ભો, એ નબળાઈ તો કાઢવાની જ છે ને ?

દાદાશ્રી : એ તો જેમ જેમ અપમાન ખાતા જઈએ તેમ તેમ અપમાનની નબળાઈ ઓછી થતી જશે. જેટલી ધીરેલી, તે પાછી આવી જાય. માનની ભીખનો વાંધો છે.

પ્રશ્નકર્તા : આપણું અપમાન ના થાય એ લક્ષમાં રહે, એ શું કહેવાય ?

દાદાશ્રી : માનીને માનનો ઉપયોગ રહ્યા કરે.

(પા.૧૪)

અપમાન ના થવા માટે જ ત્યાં આગળ ઉપયોગ રહ્યા કરે, સાચવ સાચવ કરે, એ ભીખ કહેવાય.

પેઠી માનની ભીખ તેથી ચૂકાયો ધ્યેય

માનની ભીખ કેમ ખબર પડે ? ઘણા સાધુઓય કહે છે કે અમને માનની ભીખ નથી. હોવે ! હમણે અપમાન કરશે તો ખબર પડશે કે આ માનની ભીખ હતી કે શેની હતી ? અપમાનમાં ચિઢાય એટલે જાણવું કે માન જોઈએ છે ! અને અમે અપમાનમાં ચિઢાઈએ નહીં એટલે માન જોઈતું નથી. એ ખાતરી થઈને ?

પ્રશ્નકર્તા : થઈ.

દાદાશ્રી : એટલે અમારે માનની ભીખ નહીં. કીર્તિની ભીખ નહીં, શેને માટે કીર્તિ ? દેહની કીર્તિ હોય, આત્માની કીર્તિ હોતી હશે ? જેની અપકીર્તિ થાય ને, તેની કીર્તિ થાય. આત્માની તો કીર્તિય નહીં ને અપકીર્તિયે નહીં.

આ બધી ભીખ જતી નથી. માનની ભીખ, કીર્તિની ભીખ, વિષયની ભીખ, લક્ષ્મીની ભીખ... ભીખ, ભીખ ને ભીખ ! ભીખ વગરના જોયેલા ખરા ? છેવટે દેરાં બંધાવાનીય ભીખ હોય, એટલે દેરાં બંધાવવામાં પડે ! કારણ કે કશો ધંધો ના જડે ત્યારે કીર્તિ માટે બધું કરે !

હિન્દુસ્તાનનો મનુષ્યધર્મ ફક્ત દેરાં બાંધવા માટે નથી. ફક્ત મોક્ષે જવા માટે જ હિન્દુસ્તાનમાં જન્મ છે. એક અવતારી થવાય, એ બાજુનો ધ્યેય રાખીને કામ કરજે તો પચાસ અવતારે, સો અવતારે કે પાંચસો અવતારેય પણ ઉકેલ આવી જાય. બીજો ધ્યેય છોડી દો. પછી પૈણજે-કરજે, છોકરાંનો બાપ થજે, ડૉક્ટર થજે, બંગલા બંધાવજે, એનો સવાલ નથી પણ ધ્યેય એક જગ્યાએ જ રાખ, કે હિન્દુસ્તાનમાં જન્મ થયો છે તો મુક્તિ માટેનું સાધન કરી લેવું છે. આ એક ધ્યેય ઉપર આવી જાવ તો ઉકેલ આવે. બાકી, કોઈ જાતની ભીખ નહીં હોવી જોઈએ.

ભીખ હોય ત્યાં ભગવાન હોય જ નહીં. આ તો (વિષયની ભીખ,) લક્ષ્મીની ભીખ, માનની ભીખ હોય. માન એટલે મને માન આપશે ને આ લોકોથી આમ મળશે. અને એ ઈચ્છા સેવવી, એ ભીખ જ છે.

વિશેષ માન આપે તે આપણા દુશ્મન

પ્રશ્નકર્તા : વ્યવહારમાં એકબીજાને માન આપવું એ તો કંઈ ખરાબ ના કહેવાય ને ?

દાદાશ્રી : માન આપવું, પણ દ્રષ્ટિ નીચી રાખીને. દ્રષ્ટિ બગડે કે તરત ખબર પડી જાય. માનમાં તો તરત દ્રષ્ટિ બગડે આટલું જ જોખમ છે, બીજું કશું જોખમ નથી. તમે માની હો, તો તમને કોઈ સ્ત્રી માન આપે તો તમારી દ્રષ્ટિ ખેંચાઈ જાય, લોભી હોય તો તેને લોભ આપે તોય દ્રષ્ટિ ખેંચાઈ જાય. પછી બધું જીવન ખેદાનમેદાન કરી નાખે !

કેટલાંકને કેવું હોય કે માનની ગાંઠ વિષયને માટે જ રક્ષા કરતી હોય. એટલે એનો વિષય ગયો કે માનની ગાંઠ છૂટી જવાની. કેટલાંકને પહેલી માનની ગાંઠ હોય ને પછી વિષય હોય છે, એટલે માનની ગાંઠના આધારે વિષય હોય છે અને કેટલાંકને વિષયના આધારેય માનની ગાંઠ હોય છે ! એટલે એનો આધાર નિરાધાર થાય કે પેલું ઊડ્યું.

તમને કોઈ જે’ જે’ કરે અને બે શબ્દ સારા બોલે તો તરત તમારી દ્રષ્ટિ એના પર મીઠાશવાળી મૂકાશે અને પેલીની દ્રષ્ટિ તમારે માટે પછી બગડશે. એટલે માન આપે ત્યાંથી તેને દુશ્મન માની લેવું. વ્યવહારમાં સાધારણ માન આપે તો તો વાંધો નથી, પણ જો બીજા પ્રકારનું માન આપે, ત્યાંથી આપણે જાણવું કે આ આપણા દુશ્મન છે, આપણને ખાડામાં લઈ જશે !

(પા.૧૫)

મોટામાં મોટું જોખમ જ આ છે, બીજું કોઈ જોખમ જ નથી.

માનની વિકૃતિ

પ્રશ્નકર્તા : માન છે તે સહજ મળે તો ચાખવાનો વાંધો નથી, પણ એ પછી વિકૃત થવા માંડે ને એની ઈચ્છા થાય. એવું બને ને, પછી ?

દાદાશ્રી : એવું તેવું થાય, પણ તે ઈચ્છા તો હોવી જ ના જોઈએ. અને ઈચ્છા થાય તે નુકસાનકારક છે.

પ્રશ્નકર્તા : તો એ માનની વિકૃતિ પછી કઈ કઈ અને કેટલે સુધીની હોઈ શકે ?

દાદાશ્રી : બહુ જાત જાતની વિકૃતિઓ હોય. માનની વિકૃતિઓ તો બહુ જ હોય. અને તે માનની વિકૃતિ જ માણસને પાછો પાડે છે. એટલે માન ચાખવાને માટે વાંધો નથી. કોઈ તમને કહે ‘આવો, પધારો સાહેબ, આમ છે, તેમ છે.’ એ માન તમે બધું નિરાંતે ચાખો-કરો, પણ તેનો તમને કેફ ના ચઢી જવો જોઈએ. હા, ચાખો નિરાંતે, અને અંદર સંતોષ થશે. પણ જો કેફ ચઢ્યો તો, એ થઈ ગયું કદરૂપું ! બાકી, માન હોય ત્યાં સુધી માણસ કદરૂપો દેખાય અને કદરૂપો થાય એટલે કોઈને આકર્ષણ ના થાય. કદરૂપો દેખાય કે ના દેખાય ? મોઢા ઉપર રૂપ હોય તોયે કદરૂપો દેખાય.

માનમાં કપટ ત્યાં જાગૃતિ ના થાય

પ્રશ્નકર્તા : આ માન ચાખે, એ પછી જાગૃતિને ‘ડાઉન’ ના કરે, દાદા ?

દાદાશ્રી : જાગૃતિ ઓછી થાય જ ને ! હવે માનમાં કપટ હોય ત્યાં જાગૃતિ ઉત્પન્ન ના થાય. માનમાં કપટ હોય ત્યાં માન દેખાય જ નહીં.

પ્રશ્નકર્તા : માનમાં કપટ એટલે એ કાંઈ મગજમાં બેસતું નથી, શું છે એમ ? શું કહેવા માંગો છો ?

દાદાશ્રી : માનમાં કપટ એટલે, આ ભઈ દાદાની સેવા કરે છે. લોકો એને માન આપતા હોય, તે પછી પાછા બીજા બે જણને તૈયાર કરે અને બીજા બે એને માટે બોલે. એટલે એની માટે વ્યવસ્થિત ટોળકી ભેગી કરે. માન વધારે ખાવા માટે રસ્તો આવો કરાવડાવે એ માણસ.

પ્રશ્નકર્તા : એટલે સમજો આ એક દાદાની સેવા કરતો હોય અને એ પોતે જ બીજા બેને તૈયાર કરાવડાવે ?

દાદાશ્રી : બીજાને શિખવાડે કે ભઈ, આ પ્રમાણે બધાને કહેજે.

પ્રશ્નકર્તા : કે આમ સેવા કરો.

દાદાશ્રી : એટલે વધુ માન ખાવા માટે આવો રસ્તો કરે, કિમિયા કરે આમ.

પ્રશ્નકર્તા : ઓહો ! એટલે એ પાછું કહે, એનો પ્રચાર કરે.

દાદાશ્રી : હા...

પ્રશ્નકર્તા : પોતાનો પ્રચાર કરે.

દાદાશ્રી : પોતાનો પ્રચાર વધુ માન ખાવા માટે.

પ્રશ્નકર્તા : હા, બીજાને કહીને.

દાદાશ્રી : હા. બીજાને કહીને આમ બીજાની પાસે એ કરાવડાવે. તમે ના સમજ્યા ?

પ્રશ્નકર્તા : બરાબર દાદા, સમજી ગયો. ટૂંકામાં માન ખાવા માટે ગમે એ જાતનું કપટ કરે એ.

દાદાશ્રી : અને બીજું છે તે માન દેખાડે

(પા.૧૬)

આપણને કે જુઓ, અમારું કેવું માન છે ! પણ અપમાન થવાની જગ્યા ના દેખાડે. એ કપટ જ કહેવાય ને !

પ્રશ્નકર્તા : અપમાન થવાની જગા ના દેખાડે.

દાદાશ્રી : દેખાડે કોઈ ? આમના જેવા હોય તો દેખાડે વખતે. એય ના દેખાડે. તમેય ના દેખાડો. નહીં ?

પ્રશ્નકર્તા : દેખાડી દઉ તરત જ, દેખાડી દઉં.

દાદાશ્રી : એમ ? આવા બધા બહુ કપટ કરેલા હોય માનમાં.

પ્રશ્નકર્તા : ઓહો ! તો એનાથી એની જાગૃતિને શું બાધક આવી જાય છે ? જાગૃતિ ઉત્પન્ન જ ના થાય ?

દાદાશ્રી : કપટ આવે ત્યાં જાગૃતિ બંધ. જેટલું કપટ છે ને, એટલી જાગૃતિ ઓછી છે એની.

માનની ખબર ના પડે એને, એમાં કપટ હોય તો. જેમાં કપટ હોય ને, ત્યાં છે તે લોભનીય ખબર ના પડે.

પ્રશ્નકર્તા : દાદા, એ ખબર પડી જાય, સમજો કે આ માન અંદરથી કપટ કરે છે, કપટ થાતું હોય અને અંદરથી ખબરેય પડે રાખતી હોય તો શું થયું કહેવાય ?

દાદાશ્રી : તો એનો ઉપાય આવે. પેલો ના કરતો હોય અને પેલા કરતા કપટ કરું છું, એવી ખબર પડી ત્યારથી ધીમે ધીમે એ તું ના કરતા જેવો થઈ જાય. કપટ કરું છું એટલે ખબર પડી. ખબર પડી એટલે કાઢી નાખવા તૈયાર થાય. પણ ખબર જ ના પડે તેને ? બેભાનપણાથી લોકો ફરે છે.

દાદાની બોધકળાથી ઉકલે માન

માન શાથી ઊભું રહ્યું છે ? સામાને પોતે હલકો માને છે, માટે માન ઊભું રહ્યું છે. માટે એને હલકો નહીં માનવો અને એ તો મારો ઉપરી છે એવું કહેવું, તો માન ઊડી જાય.

પ્રશ્નકર્તા : પેલાને હલકો માને છે એટલે માન ઊભું રહ્યું છે ?

દાદાશ્રી : હા, હું તો આનો કાકો થઉ એમ માન્યું એટલે પેલું માન રહે. તો આપણે વ્યવહારમાં કહેવું કે ભઈ, હું આનો કાકો છું. પણ અંદરખાને આપણે એ મારો કાકો છે એવું માનવું. એટલે પ્લસ-માઈનસ થઈ જાય. પ્લસ-માઈનસ થઈ જાય એટલે એલ્જીબ્રા (બીજગણિત)માં ઊડી જાય છે ને, છેદ ઊડી જાય છે ને ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : પછી X = Y આવી ગયું. સમજ પડી ને ?

પ્રશ્નકર્તા : આ વાત ગમી, દાદા. બહુ સરસ છે. આપે કહ્યું ને કે સામાને હલકો ગણે છે, માટે માન ઊભું રહ્યું છે.

દાદાશ્રી : હા, માન તેથી ઊભું રહ્યું છે ને ! આ મારો ભત્રીજો થાય, આનો હું દાદા થઉ, પછી જાડો થતો જાય મૂઓ. ને ભાગતો (ભાગાકાર કરતો) નથી. પછી કહેશે, આનો દાદો થઉ. આ મારું માનતો નથી. શી રીતે માને મૂઆ, તું દાદો થઈ ગયો છે એટલે ! તું એને ભાગી નાખું તો માની જાય.

દાદા આપે પદ્ધતિસર ‘માન’

અહીં આગળ આ મોટો છે ને આ નાનો છે, ને આ ઘૈડા છે એવા વિશેષ ભાવમાં નહીં. હા, વ્યવહારમાં અમે ચોક્કસ રહીએ પાછા. અમુક માણસો આવે, અહીં આગળ વડાપ્રધાન આવે તો અમે ઊભા થઈને બોલાવીએ અને અહીં જોડે

(પા.૧૭)

બેસાડીએ. પછી એ કહે કે હું તો ધર્મને માટે આવ્યો છું. ત્યારે હું કહું કે અહીં નીચે બેસો. પણ વડાપ્રધાન તરીકે આવ્યો હોય તો એવી રીતે વ્યવહાર કરીએ. કારણ કે એને દુઃખ ન થવું જોઈએ.

પ્રશ્નકર્તા : એના અહંકારને પણ દુઃખ ન પહોંચે.

દાદાશ્રી : અહંકારી માણસને પણ દુઃખ ન થવું જોઈએ, એ આપણો ધર્મ હોવો જોઈએ. એટલે વ્યવહાર પ્રમાણે એને માન આપવું જોઈએ. અમે વ્યવહારને બહુ માન આપીએ. સહુ સહુના ગજા પ્રમાણે, સહુ સહુની જગ્યાએ, પદ્ધતિસર !

કષાયોનો ઓછો થવાનો ક્રમ

પ્રશ્નકર્તા : દાદા, ગાંઠ ખબર નથી પડતી એટલે બેસી રહી છે.

દાદાશ્રી : એ ખબર પડે તો તો માણસનું કલ્યાણ જ થઈ જાય ને ! વણિકોને લોભની ગાંઠ હોય ને ક્ષત્રિયોને માનની ગાંઠ હોય. બન્ને ગાંઠો નુકસાનકારક છે.

પ્રશ્નકર્તા : ક્રોધ-માન-માયા-લોભ એ આપણે આમ સિક્વન્સ (અનુક્રમ)માં કેમ બોલીએ છીએ ?

દાદાશ્રી : એને જે જવાનો રસ્તો છે તે પહેલાં ક્રોધ ઓછો થતો જાય, પછી માન ઓછું થતું જાય, પછી કપટ ઓછું થતું જાય, પછી લોભ તો છેલ્લામાં છેલ્લો જાય.

પ્રશ્નકર્તા : આ ક્રોધ-માન-માયા-લોભ છે એમાં પહેલો ક્રોધ જાય છે, પછી માન જાય છે, પછી માયા જાય છે ને પછી લોભ જાય છે. છેલ્લામાં છેલ્લો લોભ જાય છે. એવું સ્ટેપિંગ કેમ છે ? લોભ છેલ્લો કેમ ?

દાદાશ્રી : એવું છે ને, પહેલો પેઠેલો લોભ. સૌથી પહેલો લોભ પેઠો અને એ પ્રમાણે જેવું પેઠા એવું નીકળે.

પ્રશ્નકર્તા : એ કેમનો પેસી ગયેલો ?

દાદાશ્રી : તપાસ કરજે ને હવે ? એ તારે જોવાનું. કોઈપણ વસ્તુ તું જોઉં છું તે લેવાનું મન થાય છે ને ? લેવાનો ભાવ થયો એ જ લોભ અને પછી કો’કને દેખાડવાનો ભાવ થાય કે આ હું લઈ આવ્યો છું એ માન ! પછી કોઈ લઈ લેતો હોય તો ક્રોધ કરે. પહેલો લોભ થાય.

પ્રશ્નકર્તા : અને માયા ?

દાદાશ્રી : માલ લેતી વખતે પેલા એકને બદલે બીજું બદલી લે, બીજું સારું હોય તે કંઈક ને પેલો ધણી પેલી બાજુ જુએ ને, ત્યારે બદલાવી નાખે. તો એ કપટ કરે, એ જ માયા. લોભ થયો એટલે કપટ થાય. કંઈ પણ લેવાનો ભાવ થયો એ લોભ પછી ત્યાં છળકપટ થાય. કંઈ પણ ઈચ્છા નથી તેને કશું દુનિયામાં નડે નહીં. મિનિટે મિનિટે ઈચ્છા બંધ, ખાય-પીએ છતાંય !

માનની ગ્રંથિ તૂટે અપમાનથી

માની હોય તેને લોકો અપમાન આપે. માન એટલે ભોળું. એટલે સહુ કોઈ ઓળખી જાય ને શું જોઈને છાતી કાઢીને ફરો છો, એવું કહે. માન માટે તો રસ્તે જનાર કહેશે, ‘ઓહોહો ભઈ, શું કરવા આટલા બધા ટાઈટ છો ?’

પ્રશ્નકર્તા : લોભવાળાને માન આપીને લોભની ગ્રંથિ તોડવાની, પણ આ માનની ગ્રંથિ કેવી રીતે તોડાય ?

દાદાશ્રી : માનની ગ્રંથિ તો આ લોકો એની મેળે તોડી આપે. એ અપમાનથી તૂટે ને ! નહીં તો માન તો સહુ કોઈ દેખાડ દેખાડ કરે. માન

(પા.૧૮)

ભોળું એટલે નાનાં છોકરાં હઉ સમજી જાય કે માનમાં આવી ગયા છે.

અને પાછું શું થાય ? બહુ લોભિયો હોય તે અપમાન ખમીને, સો રૂપિયા મળતા હોય તો હસે અને મનમાં એમ સમજે કે મેલો ને છાલ, આપણને તો મળે છેને ? એ લોભની ગાંઠ. અને માની તો બિચારો માને ચઢાવે એટલે વાપરી નાખે, એની પાસે જે હોય તે. પછી તેને અપમાનનો ભય બહુ લાગે. કોઈ મારું અપમાન કરશે તો ? અપમાન કરશે તો ? તેનો ભય બહુ તેને લાગે.

માની તો તમે જાવ ને, તો તમને દેખીને કહેશે, ‘આવો-પધારો.’ કારણ કે પોતાને જેવું જોઈએ એવું જ સામાને આપે.

હવે માનની ગ્રંથિઓ તો તૂટી જવાની છે. કારણ કે તન-મન અર્પણ કરી દેવાનું છે, એટલે માનની ગ્રંથિ તૂટી જવાની છે.

માન ક્યારે છેદાશે ?

અપમાન કરનારો જ્યારે ઉપકારી ગણાશે, ત્યારે તમારું માન છેદાઈ જશે ! અપમાન કરનારાને ઉપકારી ગણવો, તેના બદલે અપમાન થાય ત્યારે માણસ બેસી જાય છે !

અપમાન તો ચાખવા જેવું. ઘેર બેઠા આવે ત્યારે ચાખીએ નહીં, નહીં તો શક્તિઓ કેવી વધી જાય ! પણ અપમાન આપે ત્યારે લે નહીં ને છોડી દે. પછી શક્તિ શી રીતે વધે ?

‘મૂરખ છો, અક્કલ વગરના છો’ એવું કોઈકે કહ્યું હોય ત્યારે આપણે કહેવું, ‘ભઈ, હું આજનો નથી, પહેલેથી જ એવો છું’ એમ કહેવું.

પ્રશ્નકર્તા : એટલે અપમાન સહન કરતા શીખી જવું જોઈએ, એમ ?

દાદાશ્રી : અપમાન સહન કરવાની શક્તિ આવશે, એ માન જશે ત્યારે.

‘મારી કિંમત ના કરી’ એવું કેટલાક કહે છે ને ? તારી કિંમત હતી જ કંઈ ? તું આ દરિયાને પૂછી આવ કે તારી કિંમત કેટલી ? એક મોજું આવશે ને તું તણાઈ જશે ! કેટલાય મોજાંવાળો માલિક, તારા જેવા કેટલાય જણને એ તાણી ગયો ! કિંમત તો જેને રાગ-દ્વેષ ના થાય એની કહેવાય !

પ્રશ્નકર્તા : હવે તો આ માન-અપમાન બહુ ખૂંચે છે, એમાંથી મુક્ત થવું કઈ રીતે ?

દાદાશ્રી : અપમાન ખૂંચે છે કે માન ખૂંચે છે ?

પ્રશ્નકર્તા : આમ તો અપમાન.

દાદાશ્રી : અરે, બળ્યું માન પણ બહુ ખૂંચે. જો માન પણ વધારે પડતું આપે ને, તો માણસ ઊભો થઈ જાય. માન બહુ આપે ને, તો ત્યાંથી કંટાળીને નાસી આવે માણસ. રોજ આખો દહાડો માન આપ આપ કરે ને, તો ત્યાંથી માણસ કંટાળીને નાસી જાય. અને અપમાન તો ઘડીવારેય ગમે નહીં. માન તો થોડીક વાર ગમેય ખરું. છતાંય માણસ અપમાન સહન કરી શકે, માન સહન નહીં કરી શકે. હા, માન સહન કરવું એ તો બહુ સીસું પીધા જેવું છે. છોકરો પૈણવાનો થાય ને, તે બાપને નીચો નમીને પગે લાગે ત્યારે બાપ ઊભો થઈ જાય, ઊંચો થઈ જાય. ‘અલ્યા, તું કેમ હાલે છે ?’ ત્યારે એ કહે, ‘સહન થતું નથી.’

પ્રશ્નકર્તા : અને છતાં અપમાન ના ગમે, તે કેવું કહેવાય ?

દાદાશ્રી : અપમાન ના ગમે, એ તો બહુ જ ખોટું કહેવાય. અપમાન તો ના ગમે અને એ તો આપણા બધાય લોકોને અપમાન નથી

(પા.૧૯)

ગમતું. એ ગમાડવાની શક્તિ લોકોને ઉત્પન્ન થઈ નથી. એમણે તો અપમાન કરનારો ભાડે રાખવો જોઈએ. પણ કોઈ ભાડે રાખતું જ નથી ને ! પણ ભાડાવાળો અપમાન સાચું કરે નહીં ને ! અને લોક તો, જ્યારે સાચું અપમાન કરે છે ત્યારે એ બેસી જાય છે. સાચું અપમાન કરે એને ઉપકારી ગણવાનો. પણ ત્યારે માણસ બેસી જાય છે. સાચું અપમાન કરે ત્યારે બેસી જવાય નહીં. એટલે સામો કોઈક અપમાન કરનાર મળી આવે ને, તો બહુ ઉપકારી માનીને ‘એ જોડે ને જોડે રહે તો બહુ સારું’ એવું નક્કી કરજો.

અપમાન રોજ મળે તો ઓગળે ‘માન’ની ગાંઠ

અપમાન વાગે ક્યાં સુધી ? જ્યાં સુધી માનનું ભિખારીપણું છે, નાશવંત ચીજોમાં ભિખારીપણું છે ત્યાં સુધી.

અપમાન પચાવવું એ તો મહાન બળવાનપણું છે. કોઈ ગાળો ભાંડે, અપમાન કરે તોય માન ના જાગવું જોઈએ. ધોલ મારે તોય માન શાને માટે જાગે ? આપણે તો જાણવું જોઈએ કે સાત મારી કે ત્રણ, જોરથી મારી કે હલકી, એવું જાણવાનું. પોતાના સ્વભાવમાં તો આવવું પડશે ને ? તમારે તો નક્કી કરવાનું સવારના, કે આજે પાંચ અપમાન મળે તો સારું ને પછી આખા દહાડામાં એકુંય ના મળ્યું તો અફસોસ રાખવાનો, તો માનની ગાંઠ ઓગળે. અપમાન થાય, તે ઘડીએ જાગૃત થઈ જવું.

(આપણું તો દેહનું બંધારણ) એવું હોય છે ને કે ગમે એટલું ઘી ખાય તોય પચી જાય ? એવું આપણું મનનું બંધારણ એવું થઈ જવું જોઈએ કે ગમે એટલા અપમાન ખાય તોય પચી જાય.

આ બંધારણ થાય ક્યારે ? જ્યારે અપમાન મળે ત્યારે આપણે જાણીએ કે ઓહોહો ! આ જે દવા જ નહોતી મળતી, તે આજે મળી છે.

અપમાન ‘વિટામિન’ છે અને માન એ ‘ફૂડ’ છે. જે માન અને અપમાન સમજી ગયો ને, તો થઈ ગયું ચોખ્ખું.

માન પામ્યા પછી અપમાનેય એટલું જ પામવાનો, આ ભવમાં નહિ તો આવતા ભવમાં આવવાનું. સહેજ પણ પુદ્ગલનું સુખ તમે ચાખ્યું તો તેટલું તમારે પાછું આપવું પડશે. માટે વીતરાગ થઈ જાવ.

અપમાન પચાવવાથી કેળવાય ઉત્તમ શક્તિ

પ્રશ્નકર્તા : દાદા, આ (માનની) જે (છૂપી) ભીખ છે એ જાય કઈ રીતે ? કઈ રીતે એડજસ્ટમેન્ટ લેવું એની સામે ? ઉપયોગ કેવી રીતે રાખવો ?

દાદાશ્રી : એ તો અપમાનની ટેવ પાડી દઈએ ત્યારે.

પ્રશ્નકર્તા : પ્રાપ્ત કરવી છે અયાચક દશા અને દરેક બાબતની આ ભીખ પડેલી છે મહીં.

દાદાશ્રી : અયાચકપણું તો જવા દો ને, પણ ભીખ છૂટે તોય બહુ થઈ ગયું. આ ભીખ તો હવે આપણે કોઈના કંપાઉન્ડમાં થઈને જતા હોઈએ ને એ માણસ ગાળો દે એવો હોય તો રોજ ત્યાં થઈને જવું, રોજ ગાળો ખાવી. પણ ઉપયોગપૂર્વક સહન કરવું જોઈએ. નહીં તો એને એ ટેવ પડી જાય પેલી. લીહટ (નફ્ફટ) થઈ જાય !

પ્રશ્નકર્તા : ઉપયોગપૂર્વક સહન કરવું એટલે શું ?

દાદાશ્રી : આપણી બેનને ઉઠાવી ગયેલો હોય, તે ઉઠાવી ગયેલો હોય તેની ઉપર પ્રેમ હોય આપણને ? શું હોય ?

પ્રશ્નકર્તા : દ્વેષ હોય.

દાદાશ્રી : તે ઊંઘમાં હોય કે ઉપયોગપૂર્વક

(પા.૨૦)

હોય ? હંડ્રેડ પરસેન્ટ ઉપયોગપૂર્વક હોય, બિલકુલ ઉપયોગપૂર્વક હોય.

પછી ચોરી કરવા જાય તે ઉપયોગપૂર્વક જાગૃતિ રાખી હશે કે ઊંઘતો હશે ?

પ્રશ્નકર્તા : ઉપયોગપૂર્વક હોય.

દાદાશ્રી : માટે ઉપયોગ સમજી જાવ. અહીં તો ઉપયોગવાળા કામમાં લાગે. કોઈ અપમાન કરે ત્યારે મોઢું બગડી ગયું છે, એવી ખબર પડે, તો (આપણને) નફો-ખોટ ના જાય. નો લોસ, નો પ્રોફિટ ! અને બહાર મોઢું બગડ્યું તો ખોટ જાય. કોને ખોટ જાય ? પુદ્ગલને, આત્માને નહીં. અને બહાર મોઢું બગડ્યું નહીં, ક્લિયર રહ્યું એટલે આત્માને આનંદ રહ્યો. આત્માનો નફો થાય ને !

પ્રશ્નકર્તા : મોઢું બગાડ્યું તો પુદ્ગલને શું ખોટ જાય ?

દાદાશ્રી : પુદ્ગલને તો ખોટ ગયેલી જ ને !

પ્રશ્નકર્તા : પણ એને જાગૃતિપૂર્વક રહ્યા તો એનું મોઢું ના બગડ્યું.

દાદાશ્રી : કેટલાકને અપમાન થયું કે એનું જો આજે મોઢું ચઢી જાય તો પોતાને ખબર પડે. હું પૂછું પછી કે તને પોતાને ખબર પડી છે ? ત્યારે કહે, હા, પડી છે. પણ શી રીતે સમું કરે ? છતાં એ સમું કરવું. છેવટે સહજ કરવાનું છે. એ સહજ તો બહુ ટાઈમથી (સત્સંગ) સાંભળતો સાંભળતો આવે ત્યારે સહજ થતો આવે.

પ્રશ્નકર્તા : ગાળો ભાંડતો હોય તો એના કમ્પાઉન્ડમાં ફરીથી જવું, પણ શું કરવા જવું જોઈએ ?

દાદાશ્રી : આપણે વેચાતો ભાડે લાવીએ ને, તો ગાળો ભાંડે નહીં. અને ભાડે લાવેલું ભાંડે તો અસર ના થાય. એમાં ભલીવાર ના આવે. એ કુદરતી રીતે ગાળો ભાંડતો હોય ને, તો ઉત્તમ શક્તિ આવે ને ! એટલે એવી શક્તિ કાચી રહેતી હોય તો તમારે લેવાની જરૂર.

માન આપે ત્યારે ઉપયોગ

પ્રશ્નકર્તા : અપમાનની સામે ઉપયોગ બતાવ્યો આપે હમણાં, એ અમે સમજ્યા, પણ માનની સામે જે ઉપયોગ છે, એ બાબતમાં થોડો પ્રકાશ પાડો.

દાદાશ્રી : માન આપે ત્યારે તો ઉપયોગપૂર્વક એટલે શું કે આ માન કોને આપે છે, એ જાણવું જોઈએ. મને નહીં, આ તો મારા પાડોશીને માન આપે છે, પુદ્ગલને આપે છે.

પ્રશ્નકર્તા : માન આપે ત્યારે મીઠું લાગે ને આપણને ! એટલે મીઠાઈની જેમ મારી પાડે છે આપણને એ !

દાદાશ્રી : પુદ્ગલનું કહ્યું એટલે આપણને અડ્યું નહીં ને ! લેવા-દેવા નહીં ને આપણે. માન-અપમાન તે પુદ્ગલને આપે છે, આપણને નહીં. એનું નામ જાગૃતિપૂર્વક, ઉપયોગપૂર્વક. ચંદુભાઈને માન આપે છે, એમાં તમને શું લેવાદેવા ? એટલે માન-અપમાન આપે તો એને માથે ઘાલી દેવું. તો હિતકારી થઈ પડે, નહીં તો હિતકારી થાય નહીં.

પ્રશ્નકર્તા : હવે આપણને માન આપે છે એની જગ્યાએ આપણે એવું રાખીએ કે આ દાદાને માન આપે છે, આત્માને માન આપે છે, તો ?

દાદાશ્રી : ના, એવું નહીં. એ ચંદુભાઈને આપે છે એવું જાણવું જોઈએ. દાદાને લેવાદેવા શું છે ? દાદાને માનની જરૂર જ નહીં ને ! આત્માને માનની જરૂર જ નથી. આ બધા તાળા મળવા જોઈએ. એમાં સહમત થવું જોઈએ, એનું નામ

(પા.૨૧)

તાળો. તાળો સહમતથી જ હોય. આપણને ખબર પડે કે આ ભૂલ થાય છે !

જગતને ભાવતું છે એ આપે તમને. તમને એ ટેવ પડવી ના જોઈએ. માન આપે તોય નહીં, અપમાન આપે તોય નહીં. અપમાન કરવા માટે માણસ રાખો તો એની મજા આવે ?

પ્રશ્નકર્તા : ના, એ મજા ના આવે.

દાદાશ્રી : અને નાટકમાં ગાળો ભાંડે તો એની અસર થાય ? ‘તું નાલાયક છું, તું આમ છું, ચોર છું, બદમાશ છું’ એમ કહે તો અસર થાય ? ના થાય. કારણ કે ગોઠવણી કરેલી છે.

અપમાન પચાવવું સહેલું, માન અઘરું

જીવવા માટે કંઈ માનની જરૂર છે ? આ તો માનને ખોળે છે ને મૂર્ચ્છિત થઈને ફરે છે. આ બધું ‘જ્ઞાની પુરુષ’ પાસેથી જાણવું જોઈએ ને !

એક દહાડો જો નળમાં ખાંડ નાખેલું પાણી આવે તો લોક કંટાળી જાય. અલ્યા, કંટાળી ગયો ? ત્યારે કહે, હા, અમારે તો સાદું જ પાણી જોઈએ. આવું જો થાય ને, તો એને સાચાની કિંમત સમજાય. આ લોક તો ફેન્ટા ને કોકાકોલા ખોળે છે. અલ્યા, તારે શેની જરૂરિયાત છે, એ જાણી લે ને ! ચોખ્ખી હવા, ચોખ્ખું પાણી ને રાત્રે ખીચડી મળી ગઈ તો આ દેહ બૂમ પાડે ? ના પાડે. એટલે જરૂરિયાત શું છે એટલું નક્કી કરી લો.

કોઈ દાદાને કહે, ‘લોકો તમને ફૂલ ચઢાવે છે તે તમે શા માટે સ્વીકારો છો ?’ ત્યારે દાદાએ કહ્યું, ‘લે બા, તને પણ ચઢાવીએ ! પણ સહન નહીં થાય.’ લોકો તો હારોના ઢગલા જોશે તો છક્ક થઈ જશે ! કોઈને પગે લાગો કે તરત જ તે ઊભો થઈ જશે ! જેને અપમાન સહન કરતાં આવડે, તે જ માન સહન કરી શકે.

અપમાન સહન કરવા કરતા વધારેમાં વધારે અઘરું હોય તો માન સહન કરવું. એ તો જ્ઞાની પુરુષ સહન કરી શકે, બાકી બીજા કોઈનું ગજું નહીં. અપમાન સહન થાય, માન સહન કરવું બહુ અઘરું. અરે, એ તો આવી દુનિયા છે ? દુનિયા આવી જ છે આ બધી. અને માન વગર ગમતું નથી બધાને. અપમાન ગમતું નથી. માન વગર ચેન પડતું નથી. અને માન વધારે આપો ત્યારે સહન થતું નથી.

અપમાન પચાવવું સહેલું છે પણ માન પચાવવું અઘરું છે.

‘કંઈ જ જોઈતું નથી’થી ઉતરે માન

લોક તો કહેવા આવશે કે ‘આવો કાકા, તમારા વગર તો મને ગમતું નથી. તમે કહો એટલું બધું કામ કરી આપીશ તમારું, તમારા પગ દાબીશ.’ અલ્યા, આ તો ગલીપચી કરે છે ! ત્યાં બહેરા થઈ જવું.

માન ખાવાની બહુ ટેવ પડી ગઈ હોય, એ છેતરાય.

અમનેય છેતરનારા આવે છે. આ ગલીપચીઓવાળા આવે, પણ હું ના છેતરાઉં. અમારી પાસે કેટલાય માણસ આવતા હશે, તે ગલીપચીઓ કરે, બધું કરે પણ રામ તારી માયા ! અને અહીં કોઈ ગલ જ ના મળે ને ! એ જાણે કે દાદા પાસે કંઈ ફાવે એવું છે નહીં, એટલે પાછો જાય !

પછી એ કંટાળી જાય કે ‘આ દાદા પાસે કંઈ ફાવીએ એવું લાગતું નથી. આ બારી ભવિષ્યમાં ઊઘડે નહીં.’ અરે, મારે કશું જોઈતું નથી, શું કરવા બારી ખોલવા આવ્યો છે ? જેને જોઈતું હોય ત્યાં જાને, ગમે તેવા આવે તોય પાછા કાઢી મેલું કે ‘ભઈ, અહીં નહીં.’

(પા.૨૨)

એટલે બધું સરળ થઈ પડ્યું છે, તો હવે આપણું કામ પૂરું કરી લો. આટલું બધું સરળ નહીં આવે. આવો ચાન્સ ફરી નહીં આવે. આ ચાન્સ ઊંચો છે ને, એટલે આ બીજી ગલીપચી ઓછી થવા દો ને ! આ ગલીપચીઓમાં મજા નથી. ગલીપચી કરનારા લોક તો મળશે, પણ એમાં તમારું હિત નથી. એટલે ગલીપચીના શોખ જવા દો હવે, આ એક અવતાર ! હવે તો અરધો જ અવતાર રહ્યો છે ને ! હવે આખો અવતાર ક્યાં રહ્યો છે ?

‘કંઈ જ જોઈતું નથી’, એનું બધું કામ થાય છે. વસ્તુ સામે આવી પડે તોય નથી જોઈતી. તમારે તો જોઈએ છે ને ? શું શું જોઈએ છે ?

ડિસ્ચાર્જ માન સામે જ્ઞાન જાગૃતિ

પ્રશ્નકર્તા : દાદા, હવે મને જ્ઞાન લીધા પછી અને છેલ્લા એક-બે વર્ષથી કોઈના પર રાગ-દ્વેષ થયેલો હોય એવું આમ લાગે નહીં. ખરેખર થતો જ નથી લગભગ. પણ આ જે માનની લાગણી અનુભવાય છે ને, એ એટલી સહેલાઈથી જતી નથી આમ.

દાદાશ્રી : એ જવા દેવાની નથી, એને જોવાનું છે. એ ડિસ્ચાર્જ છે અને અત્યારે ડિસ્ચાર્જમાં રાગ-દ્વેષ છે તો અજ્ઞાનનું પરિણામ છે. એમાં ‘તમને’ રાગ-દ્વેષ નથી થતા, એ આત્મા પ્રાપ્ત કર્યાનું પરિણામ છે. હવે પેલું ડિસ્ચાર્જ છે, એ નીકળ્યા કરવાનું.

પ્રશ્નકર્તા : એટલે આમ માન ગમે.

દાદાશ્રી : તમારે કહેવું, ‘બહુ રોફ મારો છો કે ? સારી મઝા છે તમને, કશો વાંધો નહીં. પણ હવે આ ફરી જરા રાગે ચાલો.’ એ વાંધો નહીં, એ ડિસ્ચાર્જ પરિણામ છે.

પ્રશ્નકર્તા : ના, પણ રીયલાયઝેશન માટે પેલું થોડું ઓબ્સ્ટ્રેકલરૂપ (અડચણરૂપ) ના થાય ?

દાદાશ્રી : ના, રિયલાઈઝ તો બધું થઈ ગયેલું છે. પણ આ વર્તનમાં આવતા વાર લાગે. રાગ-દ્વેષ ગયા એટલે આત્મા પ્રાપ્ત થયો કહેવાય. આત્મા સો ટકા પ્રાપ્ત થયો કહેવાય. સો ટકા આત્મારૂપ થઈ ગયા છીએ આપણે. આ બધો કચરો માલ જે ભરેલો છે તે નીકળી જાય, તેમ તેમ પરિણામ પામે.

પ્રશ્નકર્તા : દાદા, માન ઊભું થાય ત્યારે આપણને ગમતું તો ના હોય, કે આ ખોટું જ છે આમ. ત્યાં જાગૃતિ શું રાખવી જોઈએ આપણે આમ કે ખાલી જોયા જ કરવાનું એ જ ?

દાદાશ્રી : એ માન ઊભું થાય તે જોવાનું છે, એનું નામ જ્ઞાન. જોનાર એ જ્ઞાન કહેવાય અને ઊભું થાય છે એ અજ્ઞાન છે. અજ્ઞાનને જુએ જ્ઞાન. પછી એક અંશ માન હો કે પચાસ અંશ માન હો પણ અજ્ઞાનને જુએ એ જ્ઞાની. એ અજ્ઞાન છે એવું તમને ખબર પડે ને ?

પ્રશ્નકર્તા : માનવાળું અજ્ઞાન કહેવાય ?

દાદાશ્રી : માનવાળું એ અજ્ઞાન છે એવું તમને ખબર પડે ને ? એ અજ્ઞાનને જુઓ છો એટલા માટે તમે જ્ઞાની. નહીં તો અજ્ઞાનની ખબર પડે નહીં અજ્ઞાનીને ! એમાં કોઈ ભૂલ નથી.

પ્રશ્નકર્તા : જેટલા રાગ-દ્વેષ સહેલાઈથી નીકળી ગયા એટલું આ (માન) નીકળતું નથી ઝટ !

દાદાશ્રી : નીકળી ગયા નથી રાગ-દ્વેષ, તમે કાઢ્યા નથી. એ તો આત્મા પ્રાપ્ત થયાની નિશાની છે.

મોક્ષનો હેતુ પૂરો કરવા આ ભવ

આપણે તો મનુષ્ય અવતારમાં શું કામ કરવાનું છે ? ત્યારે કહે કે મોક્ષ હેતુ પૂરતું, એટલું જ કામ પૂરું કરવાનું હોય છે. મોક્ષના હેતુ માટે જે સાધન મળી આવે, એ સાધનની આરાધના માટે આ મનુષ્યદેહ હોય છે.

(પા.૨૩)

અત્યારે તો સાંસારિક હિતનું ભાન કોને કહેવાય ? જેને નૈતિકતાનું ધોરણ હોય, પ્રમાણિકતાનું ધોરણ હોય, જેને લોભ નોર્મલ હોય, જેનામાં કપટ ના હોય, માન પણ નોર્મલ હોય, એને સાંસારિક હિતનું ભાન કહેવાય. બાકી એબ્નોર્મલ લોક હોય, તેને હિતનું ભાન તે રહેતું હશે ? લોભાંધ થયેલો હોય, તે કોની જોડે માથું અથડાવશે તે શું કહેવાય ? સાંસારિક હિતનું ભાન હોય તેને માણસ કહેવાય. બાકી આમનો તો ફોટો પાડે તો લોક કહે ખરાં કે માણસનો ફોટો છે, પણ મહીં માણસના ગુણ નથી.

માન નામનો દીકરો જીવતો તો બધા જીવતા

‘માયા માથે શિંગડા, લંબે નવ-નવ હાથ,

આગે મારે શિંગડાં ને પીછે મારે લાત.’

માયા (અજ્ઞાનતા) શું કહે છે ? મારો માન નામનો છોકરો જ્યાં સુધી જીવતો છે, ત્યાં સુધી મારા બધાય છોકરાંઓને મારશો તોય તે પાછા સજીવન થશે. ક્રોધ-માન-માયા(કપટ)-લોભ, રાગ-દ્વેષ એ મારા છ છોકરાં ને સાતમી હું, એમ અમારી વંશાવળીનો વાડો લીલો રહેશે. તે આ માયા અને તેના છ પુત્રોએ આખા જગતને લડાવી માર્યું છે. અલ્યા, એટમબોંબ નાખવો હોય તો તેના ઉપર નાખ ને ! વઢવાડ આ જ કરાવે છે ને સંસાર ઊભો ને ઊભો જ રહે છે. એના છ છોકરામાં ક્રોધ ભોળો છે. તરત જ ભડભડ કરી નાખે. એને તો કોઈકેય ઓળખાવી આપે. કોઈકેય કહે કે ‘અલ્યા, શું ક્રોધ કરે છે ?’ માન, તે પણ સારો છે. પણ ક્રોધ કરતાં તે સહેજ ઊતરતો. કોઈકેય કહે કે ‘અલ્યા, શું છાતી કાઢીને ફરે છે ?’ કપટ અને મોહ તો કોઈનેય ના દેખાય ને ધણીને પોતાનેય ખબર ના પડે. અને છેલ્લામાં છેલ્લો નંબર આવે લોભનો. કપટ, મોહ અને લોભથી તો ભગવાનેય કંટાળે. જલદી મોક્ષે જ ના જવા દે. એ તો બહુ જબરી વંશાવળી છે, આ માયાની તો ! છેક છેલ્લે સુધી આ માયા જીતાય તેવી નથી. ક્રમિક માર્ગમાં ભગવાન પદ સામું હારતોરા લઈને આવે, ત્યારે આ માયા એ ભેગું ના થવા દે. એ તો જ્ઞાની પુરુષ મળે તો જ ઉકેલ આવે ને માયાની વંશાવળી નિર્મૂળ થાય.

અમે બીજું કશું જ ના કરીએ. માન, અહંકાર નામનો જે એનો સૌથી મોટો છોકરો તેને જ જડમૂળથી ઉખાડી નાખીએ, કાઢી નાખીએ. એટલે બીજા પાંચેય છોકરા ને માયા ડોશી બધાંય મરી જાય. એટલે છુટકારો થાય ને મુક્તિ થાય. અમે જ્ઞાન આપીએ, એટલે તમારી સર્વે માયાથી મુક્તિ અપાવીએ.

શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું કે જો માન ના હોત તો અહીં જ મોક્ષ થાત. અને માયાય કહે છે, મારા છ છોકરામાં માન નામનો છોકરો જીવતો છે, ત્યાં સુધી બીજા ફરી સજીવન થઈ જતા વાર નહીં લાગે. બીજાને જેટલા મારવા હોય એટલા મારજો, પણ મારો માન નામનો છોકરો નહીં મરે. ત્યારે જ્ઞાની પુરુષો માન નામના છોકરાને ઉડાડે, બીજા બધાને જીવતા રહેવા દે. જીવો બા અહીં આગળ, કશો વાંધો નથી.

જગતમાં માન ના હોત તો અહીં જ મોક્ષ

પ્રશ્નકર્તા : શ્રીમદ્જીએ કહ્યું છે, કે આ જગતમાં જો માન ન હોત, માનનો કષાય ના હોત તો અહીંયા જ મોક્ષ હોત !

દાદાશ્રી : હા. આ લોભ કે બીજી કશી ભાંજગડ જ નથી. પણ જો માન ના હોત તો અહીં જ મોક્ષ થઈ જાત ! તે અજ્ઞાની લોકોને દેખાડ્યું છે કે બીજું બધું હશે ને, તે જોઈ લેવાશે પણ માન ઉપર જ લક્ષ રાખશો. માન જ આ સંસારનું મુખ્ય કારણ છે.

માનને ને મોક્ષને બહુ વેર છે. વેર કોને

(પા.૨૪)

કોને છે ? માનને ને મોક્ષને. જેનું માન જાય તેને અહીં મોક્ષ થઈ ગયો.

પ્રશ્નકર્તા : એ કેવી રીતે દાદા, એમાં માનના કષાયને જ મહત્વ આપ્યું, બીજા કષાયને કન્સિડર કર્યો નથી ?

દાદાશ્રી : નર્યું માનથી જ ઊભું થયું છે જગત આ. માનથી બીજા કષાય ઊભા થયા. માનથી મમતા ઊભી થઈ ને મમતાથી લોભ ઊભો થયો. એટલે માન અહીં ના હોય ને, તો એને ગાળો ભાંડે તોય એને મુક્તિ જ છે ને ! માન ના હોય, તો ખોટ જાય તોય મુક્તિ જ છે ને ! માન ના હોય એટલે મોક્ષ જ થઈ જાય, પણ માન ના હોય એવું બને કેવી રીતે ? માન જાય નહીં ને, કરોડો ઉપાયે માન જાય નહીં. મમતા અને અહંકાર બે જાય નહીં. એ તો જ્ઞાની પુરુષ પાસે બેસે, જ્ઞાની પુરુષની કૃપા ઊતરે ત્યારે માન જાય.

જાગૃતિથી થશે માન નિર્મૂળ

‘જ્ઞાની પુરુષ’ને માન કે અપમાનની કશી જ પડી ના હોય. માનના સુખ એ વિષય સુખ છે. ‘મારું માનભંગ થશે’ એ ભો જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્ઞાન કશું પામ્યા જ ના કહેવાય. આ તો મૂળ વીતરાગ જ્ઞાન જ પામવાનું હોય, બીજું કશું ખપે નહીં ને !

પ્રશ્નકર્તા : પણ સેવા કરે એટલે મેવા ખાવાનું મન થાય ને, દાદા.

દાદાશ્રી : એવું છે ને, ભગવાન કહે છે કે આ બધા જેટલા જેટલા સેવા કરે છે ને, એ લાંચ વગર કરતા નથી. જો લાંચ વગર કરે ને, તો મોક્ષનો માર્ગ મળી જાય એમને.

એટલે ભગવાનને આ લોકો કહે છે, ‘ના, ના, સાહેબ, કોઈ દહાડોય પૈસો લીધો નથી. મેં આના ઘરનું પાણીય નથી પીધું.’ ત્યારે (ભગવાન) કહે, ‘પણ માનની લાંચ લો છો ને ?’ ‘જો અપમાન કરે તો તમે ના સેવા કરો’ કહે છે. શું કહે છે ?

પ્રશ્નકર્તા : દાદા, આપણે માનની પણ લાંચ નથી લેતા.

દાદાશ્રી : માનની લાંચ નથી ? થોડું થોડું જ્યારે અપમાન કરે તો ? કરે ત્યારે ખબર પડે.

બધું મહીં તાવી જોવાનું કે ભાવના જગત કલ્યાણની છે કે માનની ? પોતાના આત્માને તાવી જુએ તો બધી ખબર પડે એવું છે. વખતે મહીં માન રહેલું હોય તોય એ નીકળી જશે. કારણ કે કોઈ પ્રધાનને બહાર બધું સારું હોય ને ઘરનો દુઃખી હોય તો એને સત્તા આપે તો એ લાખ-બે લાખ ખાઈ જાય, પણ પછી ધરાઈ જાય ને ? અને આપણું તો આ વિજ્ઞાન છે, એટલે હવે જે માન રહ્યું તે નિકાલી માલ ને ! તે ધીમે ધીમે ખલાસ થઈ જશે, છતાં ત્યાં સુધી બધી જાગૃતિ રાખવી પડે.

કોઈ કાળે આ વિજ્ઞાન પ્રાપ્ત થતું નથી ને થોડાક માન માટે આ જ્ઞાન ધૂળધાણી કરી નાખે. આપણે તો એવી વાત છે કે જરાક બહાર પાડે તો જગત માન આપે, પણ આપણું ખોવાઈ જાય.

અહીં બધી જ (છેલ્લી દશા પામવા સુધીની) તૈયારી છૂટી મૂકેલી છે. જેટલી તમારા ‘હાર્ટની પ્યૉરિટી’, જેટલું તમે (પ્યૉરિટીમાં રહીને) બટન દબાવો, એટલું તૈયાર ! એટલે તમારે બટન દબાવવાની વાર છે.

લોકોનું કલ્યાણ તો ક્યારે થાય ? આપણે ચોખ્ખા થઈએ તો, બિલકુલ ચોખ્ખા ! પ્યૉરિટી એ જ બધાનું, આખા જગતનું આકર્ષણ કરે ! પ્યૉરિટી ! પ્યૉર વસ્તુ જગતનું આકર્ષણ કરે, ઇમ્પ્યૉર વસ્તુ જગતને ફ્રેક્ચર કરે. એટલે (સંપૂર્ણ) પ્યૉરિટી લાવવાની !

જય સચ્ચિદાનંદ

દાદાઈ આપ્તસૂત્રો

* અપમાન ‘વિટામિન’ છે અને માન એ ‘ફૂડ’ છે.

* અપમાન વાગે ક્યાં સુધી ? જ્યાં સુધી માનનું ભિખારીપણું છે, નાશવંત ચીજોમાં ભિખારીપણું છે ત્યાં સુધી.

* લોકો માન આપે તે ચાખવામાં વાંધો નથી, પણ જોડે જોડે એમ રહેવું જોઈએ કે આ ના હોવું ઘટે.

* માન હોય ત્યાં સુધી માણસ કદરૂપો દેખાય અને કદરૂપો થાય એટલે આકર્ષણ ના થાય કોઈને. મોઢા ઉપર રૂપ હોય તોય પણ એ માનને લઈને કદરૂપો દેખાય.

* અપમાનનો કિંચિત્માત્ર જેને ભો છે તે ‘જ્ઞાની’ નથી. માનની રુચિ છે તે ‘જ્ઞાની’ નથી.

* અપમાન કરનારો જ્યારે ઉપકારી ગણાશે, ત્યારે તમારું માન છેદાઈ જશે ! અપમાન કરનારાને ઉપકારી ગણવો, તેનાં બદલે અપમાન થાય ત્યારે માણસ બેસી જાય છે !

* ‘તેમણે મારું અપમાન કર્યું’, એ જ્ઞાનથી ભયંકર પાપ બંધાય છે.

* આમ ‘ઈન્સલ્ટ’ ગમતું નથી ને લોકોનું ‘ઈન્સલ્ટ’ કરવામાં શૂરો હોય છે. એને માનવતા કેમ કહેવાય ?

* જેને માનની મોટી ગાંઠ હોય તેને, ‘કંઈ અપમાન થઈ જશે, કંઈ અપમાન થઈ જશે’ એમ રહ્યા કરે. અથવા ‘ક્યાંથી માન મળશે, ક્યાંથી માન મળશે’, એમાં જ તન્મયાકાર રહે !

* માન ખાવાની બહુ ટેવ પડી ગઈ હોય, એ છેતરાય.

* માન પામ્યા પછી અપમાનેય એટલું જ પામવાનો, આ ભવમાં નહિ તો આવતા ભવમાં આવવાનું. સહેજ પણ પુદ્ગલનું સુખ તમે ચાખ્યું તો તેટલું તમારે પાછું આપવું પડશે. માટે વીતરાગ થઈ જાવ.

* અપમાન પચાવવું એ તો મહાન બળવાનપણું છે.

* અહંકાર છે કે નહીં, એ શી રીતે ખબર પડે ? એ તો કોઈ અપમાન કરે ત્યારે ખબર પડે. કોઈ અપમાન કરે તો તે સમજીને ગળી જવું.

* જ્ઞાન મળ્યા પછી અપમાન પચાવતાં આવડે, તો તે ‘જ્ઞાની’ થઈ જાય. અને જ્ઞાન મળ્યા પહેલાં અપમાન પચાવે, તો નઠોર થઈ જાય.

* માનમાં કપટ હોય ત્યાં ‘જાગૃતિ’ ઉત્પન્ન ના થાય. માનમાં કપટ હોય ત્યાં માન દેખાય જ નહીં.

* અભિમાન એટલે માનની જાહેરાત.

* સ્વમાન એટલે અપમાન ના થાય એ માટેનું રક્ષણ કરવું તે.

* વ્યવહારમાં સ્વમાન એ સદ્ગુણ કહેવાય અને અભિમાન દુર્ગુણ કહેવાય.

* અજ્ઞાનદશાની સદ્ગુણની ‘લિમિટ’ છે, સ્વમાન !

* માન તો એવું છે, કે અમુક હદ સુધી અપમાન થાય છે, ત્યારે નફ્ફટ થઈ જાય છે અને અમુક પ્રમાણમાં માન મળતું જ જાય તો તે તેને પુષ્ટિ મળતી જાય છે. અને માન જો ખૂબ જ મળે, તો તે માનની ભૂખ મટી જાય.

* પ્રમાણથી વધારે માન આપે, તોય મહીં કંટાળો આવે ને પ્રમાણથી વધારે અપમાન આવે, તોય મહીં અકળામણ થાય.

* અપમાનનો ભો જતો રહે, તો વ્યવહારના માણસો નફ્ફટ થઈ જાય. અને નિશ્ચયમાં અપમાનનો ભો જતો રહે, તો માણસ સ્વતંત્ર થઈ જાય !

* જેટલો માનનો પ્રેમી હોય, તે એટલો અપમાનનો પ્રેમી ના થઈ શકે, નહીં ? જેટલો નફાનો પ્રેમી છે, એટલો ખોટનો પ્રેમી ના થઈ શકે, નહીં ?

* માનની આશા રાખે ને ત્યાં જ અપમાન થાય એટલે આશા બધી તૂટી પડે, પછી ભગ્ન થઈ જાય. એને અહંકારભગ્ન કહેવાય. એ ક્રેક હોય ! જેમ પ્રેમભગ્ન હોય તેમ અહંકારભગ્ન હોય.

જય સચ્ચિદાનંદ