લક્ષ્મી એ મેઈન પ્રોડક્શન કે બાય પ્રોડક્શન ?

સંપાદકીય

પરમ પૂજ્ય દાદાશ્રીએ અક્રમ વિજ્ઞાન થકી નિશ્ચય અને વ્યવહાર બંનેમાં સર્વોતમ ફોડ આપ્યા છે અને આ કાળમાં વ્યવહારમાં જો સૌથી વિશેષ પ્રાધાન્ય મળ્યું હોય તો તે પૈસાને. પૈસાને જ અગિયારમો પ્રાણ કહ્યો છે. પૈસાને જ જગતના લોકોએ સર્વસ્વ માન્યું છે. પૈસા હશે તો આખી જિંદગી શાંતિથી જીવાશે, પૈસા હશે તો બધી રીતે સલામતી રહેશે અને મારા સર્વ દુઃખોનો અંત આવશે. પૈસાથી જ પોતાનું માન-તાન જળવાશે એમ માનીને લક્ષ્મી ભેગી કરવા પાછળ રાત-દહાડો દોડાદોડી કરે છે.

વ્યવહાર જીવનમાં આજીવિકા માટે લક્ષ્મી અનિવાર્ય છે, પણ જ્યારે પૈસામાં જ રસ, પૈસાનો જ લોભ એટલે જરૂરિયાત કરતા વધારે જ્યારે પૈસાની પાછળ દોટ મૂકાય છે, ત્યારે આ જીવન શેના માટે જીવવાનું છે એ ભૂલી જાય છે ! શું આ જીવન ખાલી કમાવવા માટે છે ?

મનુષ્યોને પૈસાથી મળતા બાહ્ય સુખ માટેની દોડ પાછળ લક્ષ્મીજીનો દોષ નથી, મૂળમાં પોતાની સુખની માન્યતાનો દોષ છે. પણ શું પૈસો સાચું સુખ આપી શકે ખરો ? પ્રસ્તુત અંકમાં લોકસંજ્ઞાથી પડેલી પૈસામાં સુખની ઊંધી માન્યતાને છેદી જ્ઞાનીની સંજ્ઞા પ્રમાણે ચાલવા માટે દાદાશ્રી વિવિધ જ્ઞાન સમજણ ઉદ્બોધે છે, જેમ કે લક્ષ્મીનું આવન-જાવન શેનાથી ? પૈસાનો સંગ્રહ એ હિંસક ભાવ, પૈસા કમાવવાની ભાવના એ જ રૌદ્રધ્યાન, પૈસાથી ચઢતો કેફ, પૈસામાં કરકસર કે લોભ, પૈસાના લોભથી બગડે અનંત અવતારો, પૈસાથી મળતા લૌકિક સુખોના બંધન અને તેથી આવરાતા અલૌકિક સુખ, ખપે રાજલક્ષ્મી કે મોક્ષલક્ષ્મી, પ્રીતિ લક્ષ્મીજીની કે નારાયણની ? ખરેખર લક્ષ્મી એ મેઈન પ્રોડક્ટ કે બાય પ્રોડક્ટ ?

પૈસામાં સુખની માન્યતાને છેદવા માટે દાદાશ્રી કહે છે કે પૈસા તો કુદરતી રીતે આવશે જ. તેની પાછળ પડવાની શી જરૂર ? હું તો આ પૈસાના સમુદ્રમાંથી તરીને બહાર નીકળ્યો છું. હું જાણું છું કે વધારે પૈસો જોખમી છે. કારણ કે વધુ લક્ષ્મી માણસને મજૂર બનાવે છે. એક્સેસ થશે તો અકળામણ, અજંપો, ચિંતા, વેર વધશે.

આત્મા પ્રાપ્ત કરવા માટે જે કંઈ કરવામાં આવે છે તે મેઈન પ્રોડક્શન છે અને તેને લીધે પછી સંસારમાં લક્ષ્મીનું બાય પ્રોડક્શન તો એની મેળે મફતમાં આવે છે. લૌકિક માન્યતાની અણસમજણથી લોકો પૈસા પાછળ દોડે છે પણ અંતે જ્યારે દેહ મૂકીને જઈશું ત્યારે પૈસા જોડે નહીં આવે. માટે આ વીતરાગ વિજ્ઞાનની સમજણથી પૈસામાં સુખની માન્યતા છેદાય અને હવે પછીનું જીવન આત્માના સ્પષ્ટવેદન સુધી પહોંચવાનો પુરુષાર્થ મંડાય એ જ હૃદયપૂર્વકની અભ્યર્થના.

~ જય સચ્ચિદાનંદ.

લક્ષ્મી એ મેઈન પ્રોડક્શન કે બાય પ્રોડક્શન ?

(પા.૪)

લૌકિક ભાવે સુખની માન્યતા

પ્રશ્નકર્તા : પૈસાથી જ સુખ મળે છે એવું આપણે બધા કેમ માનીએ છીએ ?

દાદાશ્રી : એ તો આખા જગતે માન્યું છે. લૌકિક ભાવે છે એ. લોકોની રીતે છે એ. લૌકિક રીતે છે. પૈસાથી સુખ થતું હોય તો બધા પૈસાવાળા સુખી જ હોય પણ કોઈ સુખી છે નહીં.

‘આનાથી સુખ મળશે’, આ હોય તો સુખ છે, નહીં તો સુખ છે નહીં. તે એનું માની બેઠેલું લૌકિક સુખ, લૌકિક માન્યતા. એટલે લોભની ગાંઠ ઊગતી જાય. ભેળું કરેલું કામ લાગે ને ! વારેઘડીએ ઉછીના ખોળવાની જરૂર ના પડે, એવું બધું માને. એટલે લોભની ગાંઠ વધે.

એ માન્યતાએ માંડી મોંકાણ

પ્રશ્નકર્તા : દાદા, આ વખતે લોભની ગાંઠ કયા હિસાબે મળી હશે ? કયા ભાવ કરેલા ?

દાદાશ્રી : બીજાનું જોઈને કરે છે કે આમની પાસે જોને, ધન સંઘર્યું છે તો અત્યારે મિલો-બિલો બધું ચાલ્યા કરે છે ને ! એટલે પોતેય ધન સંઘરે પછી. સંઘરવું એટલે લોભની ગાંઠ ઊભી થાય. બીજાનું જોઈને લોભની ગાંઠ ઊભી થાય.

એણે એમ માન્યું છે કે આ પૈસા સંઘરી રાખીશ તો મને સુખ પડશે ને પછી દુઃખ કોઈ દહાડોય નહીં આવે, પણ એ સંઘરી રાખવાનું કરતા કરતા લોભિયો એવો જ થઈ ગયો ! પોતે લોભિયો થઈ ગયો ! કરકસર કરવાની છે, ઈકોનોમી કરવાની છે, પણ લોભ નથી કરવાનો.

લોભ બહુ હોય એટલે ભેળું કર કર કર્યા કરે !

‘સંઘરવું’ એ છે હિંસક ભાવ

લક્ષ્મીનો સ્વભાવ કેવો છે કે જેમ જેમ લક્ષ્મી વધતી જાય તેમ તેમ ‘પરિગ્રહ’ વધતો જાય.

પૈસા ભેગા ના કરાય, પરિગ્રહ કરે. પૈસા ભેગા કરવા એ હિંસા જ છે. એટલે બીજાને દુઃખ દે છે.

પ્રશ્નકર્તા : લક્ષ્મીને સંઘરી રાખે છે તે હિંસા કહેવાય ?

દાદાશ્રી : હિંસા જ કહેવાય. સંઘરવું એ હિંસા છે. બીજા લોકોને કામ લાગે નહીં ને !

લોભમાંય હિંસકભાવ રહેલો છે. લોભમાં હિંસકભાવ શું રહ્યો છે કે આપણી પાસે પૈસા આવે, તે બીજા પાસેથી ઓછા થઈને આવે ને ? ક્રોધ-માન-માયા-લોભ એ બધા હિંસક છે. કપટ કર્યું એ હિંસકભાવ નહીં ? પણ એનું બિચારાનું પડાવી લેવા હારુ કરો છો આવું ? એ બધા હિંસકભાવ છે.

લોભથી આ જગત ઊભું રહ્યું છે. તને જલેબી ભાવતી હોય, તે તને ત્રણ મૂકે ને પેલાને ચાર મૂકે, તો તને મનમાં ડખો થાય ! એ લોભ જ છે ! ત્રણ સાડીઓ હોય ને ચોથી લેવા જાય !

આ કળિયુગમાં પૈસાનો લોભ કરીને પોતાનો અવતાર બગાડે છે. મનુષ્યપણામાં આર્તધ્યાન-રૌદ્રધ્યાન થયા કરે, તે મનુષ્યપણું જતું રહે. મોટાં મોટાં રાજ ભોગવી ભોગવીને આવ્યો છે. આ કંઈ સાવ ભિખારી નહોતા, પણ અત્યારે મન ભિખારી જેવું થઈ ગયું છે. તે આ જોઈએ ને તે જોઈએ થયા કરે છે. નહીં તો જેનું મન ધરાયેલું હોય, તેને કશુંય ના આપો તોય રાજેશ્રી હોય. પૈસો એવી વસ્તુ છે કે માણસને લોભ ભણી

(પા.૫)

દ્રષ્ટિ કરાવે છે. લક્ષ્મી તો વેર વધારનારી વસ્તુ છે. એનાથી દૂર જેટલું રહેવાય એટલું ઉત્તમ અને વપરાય તો સારા કામમાં વપરાઈ જાય તો સારી વાત છે.

લક્ષ્મીજીનું આવન-જાવન શાથી ?

પ્રશ્નકર્તા : પૈસા એ વિનાશી ચીજ છે, છતાં પણ એના વગર ચાલતું નથી ને ? ગાડીમાં બેસતાં પહેલાં પૈસા જોઈએ !

દાદાશ્રી : જેમ લક્ષ્મી વિના ચાલતું નથી તેમ લક્ષ્મી મળવી-ના મળવી પોતાની સત્તાની વાત નથી ને ! આ લક્ષ્મી મહેનતથી મળતી હોય તો તો મજૂરો મહેનત કરી મરી જાય છે. છતાં, માત્ર ખાવા પૂરતું જ મળે છે ને મિલમાલિકો વગર મહેનતે બે મિલોના માલિક હોય છે.

આ લક્ષ્મીજી શાથી આવે છે અને શાથી જાય છે તે અમે જાણીએ છીએ. લક્ષ્મીજી મહેનતથી આવતી નથી કે અક્કલથી કે ટ્રીકો વાપરવાથીય આવતી નથી. લક્ષ્મી શેનાથી કમાવાય છે ? જો સીધી રીતે કમાવાતી હોત તો આપણા પ્રધાનોને ચાર આનાયે મળત નહીં ! આ લક્ષ્મી તો પુણ્યૈથી કમાય છે. ગાંડો હોય તોય પુણ્યૈથી કમાયા કરે.

‘આવન-જાવન’ હિસાબસર જ

લક્ષ્મીજી તો હાથમાં જેમ મેલ આવ્યા કરે છે તેમ સૌ-સૌના હાથમાં હિસાબસર આવ્યા જ કરે છે. જે લોભાંધ થઈ જાય તેની બધી જ દિશા બંધ થઈ જાય. તેને બીજું કશું જ ના દેખાય. એક શેઠનું આખો દહાડો ધંધામાં અને પૈસા કમાવામાં ચિત્ત, તે તેના ઘરના છોકરીઓ-છોકરાઓ કોલેજને બદલે બીજે જાય. તે શેઠ કંઈ જોવા જાય છે ? અલ્યા, તું કમાયા કરે છે અને પેણે ઘર તો ભેલાઈ રહ્યું છે ! અમે તો રોકડું જ, એના હિતનું જ કહી દઈએ.

લક્ષ્મી તો હાથનો મેલ છે, એ તો નેચરલ આવવાનો. તમારે આ સાલ પાંચ હજાર સાતસો ને પાંચ રૂપિયા અને ત્રણ આના એટલો હિસાબ આવવાનો હોય ને, તે હિસાબની બહાર કોઈ દહાડો જતું નથી અને છતાં આ વધારે આવતા દેખાય છે, એ તો પરપોટાની પેઠે ફૂટી પણ જાય. પણ જેટલો હિસાબ છે એટલો જ રહેશે. આ અરધી તપેલી દૂધ હોય ને નીચે લાકડાં સળગાવ્યા ને દૂધની તપેલી ઉપર મૂકી, તો દૂધ આખી તપેલી થાય ને, ઊભરાયાથી આખી તપેલી ભરાઈ, પણ તે ભરાઈ રહેલું ટકે છે ? એ ઉભરાયેલું ટકે નહીં. એટલે જેટલો હિસાબ છે એટલી જ લક્ષ્મી રહેશે. એટલે લક્ષ્મી તો એની મેળે જ આવ્યા કરે. હું ‘જ્ઞાની’ થયો છું, તે અમને સંસાર સંબંધનો વિચારેય નથી આવતો, તોય લક્ષ્મી આવ્યા કરે છે ને ! તમારે પણ એની મેળે આવે છે, પણ તમે કામ કરવા માટે બંધાયેલા છો. તમારે ફરજિયાત શું છે ? વર્ક (કામ) છે.

એન્જિનને પટ્ટો આપીને કામ કાઢવું

તમે ધંધો શું કરો છો ?

પ્રશ્નકર્તા : રેડીમેડ કાપડની દુકાન છે.

દાદાશ્રી : શેના હારુ ધંધો કરો છો ?

પ્રશ્નકર્તા : નફા સારુ જ કરીએ છીએ ને !

દાદાશ્રી : નફો શેના માટે કરો છો ?

પ્રશ્નકર્તા : પેટ માટે.

દાદાશ્રી : પેટનું શાના હારુ કરો છો ?

પ્રશ્નકર્તા : એ ખબર નથી.

દાદાશ્રી : એટલે પેટમાં પેટ્રોલ નાખવા હારુ આ બધી કમાણી કરે છે. એ શેના જેવું છે ?

(પા.૬)

આ એન્જિનો બધા ચાલતા હોય, તે પેટ્રોલ નાખે અને ચાલુ રાખ્યા જ કરે. પેટ્રોલ નાખે ને ચાલુ રાખ્યા કરે. એવું બધાય કરે છે. એવું તમેય કરો છો ? પણ શા હારુ એન્જિન ચાલુ રાખવું જોઈએ, એ કહો તો ખરા ! મહીં કામનું કશું કરવાનું નથી ? આ એન્જિન તો બધા લોકોએ ચાલુ રાખેલા, પણ તમે શા હારુ રાખ્યું ? તમારે વિચાર તો કરવો પડે ને કે ભઈ, હવે એન્જિનમાં મોંઘા ભાવનું પેટ્રોલ નાખી એન્જિન ચાલુ રાખવું. તો લોકોને જોવા માટે છે આ બધું ?

પ્રશ્નકર્તા : પોતાનું જ જોવા માટે આ બધું છે.

દાદાશ્રી : એન્જિનને પટ્ટો આપીને આમાંથી કશું કામ કાઢી લેવાનું હોય. એટલે આ પેલામાં તો કામ કાઢી આપે, પણ આમાં શેના હારુ એન્જિન ચલાવીએ છીએ ? તમે ચલાવ ચલાવ જ કર્યા કરો છો, બસ ! સંડાસ જવું ને ખાવું, સંડાસ જવું ને ખાવું, સંડાસ જવું ને ખાવું, બસ !

પ્રશ્નકર્તા : શરીરને ખાવા-પીવાનું જોઈએ ને ?

દાદાશ્રી : એમ ? આ કરો તો જ ખાવા-પીવાનું મળે, નહીં તો મળે એવું નથી, નહીં ? અને ખાવા-પીવાનું શેને માટે ?

પ્રશ્નકર્તા : શરીર ટકાવવા માટે.

દાદાશ્રી : હા, પણ શરીર શેના માટે ટકાવવાનું ? કંઈક હેતુ હોવો જોઈએ ને ? ધંધો કરીએ તે આ ખોરાક ખાવા માટે, મેઈન્ટેનન્સ કરવા માટે. મેઈન્ટનન્સ શેને માટે કે શરીર ટકાવવા માટે, તો શરીર ટકાવવાનો હેતુ શેને માટે ?

પ્રશ્નકર્તા : અગાઉના કર્મ પૂરા કરવા માટે હોય.

દાદાશ્રી : એટલા હારુ ? એ તો કૂતરાં, ગાયો, ભેંસો, બધા પૂરા કરે છે. અને હિન્દુસ્તાનમાં મનુષ્ય થયા, એટલે મોક્ષ હેતુ માટે છે આ. હિન્દુસ્તાનમાં મનુષ્યજન્મ મોક્ષ હેતુ માટે છે. એને માટે જ આપણું જીવન છે. હેતુ એ રાખ્યો હોય તો જેટલો મળે એટલો ખરો. પણ હેતુ તો જોઈએ ને ? આ ખાવા-પીવાનું તેને લીધે છે. આપને સમજાયું ને ? જીવન શેના માટે જીવવાનું છે ? ખાલી કમાવા માટે જ ? જીવમાત્ર સુખને ખોળે છે. સર્વ દુઃખોથી મુક્તિ શી રીતે થાય એ જાણવા માટે જ જીવન જીવવાનું છે. આમાં મોક્ષનો માર્ગ કાઢી લેવાનો છે. મોક્ષના માર્ગ માટે આ બધું છે.

હાય પૈસો કરતા કમોતે મરે

તમને રાત-દહાડો સ્વપ્ના આ લક્ષ્મીના આવે છે ?

પ્રશ્નકર્તા : સ્વપ્નું આવતું નથી પણ એ સ્વપ્નાની ઈચ્છા રાખું ખરો.

દાદાશ્રી : તો કોઈ અડચણવાળો હોય ને તમારી પાસે સો રૂપિયા માંગવા આવે ત્યારે તમારી શી દશા થાય ? હાય બાપ, ઓછા થઈ જશે તો ? તમને એવું થઈ જાય ? ઓછા કરવા માટે તો આ રૂપિયા છે. એ કંઈ જોડે લઈ જવાના નથી. જો જોડે લઈ જવાના હોય ને, તે વાણિયા તો બહુ અક્કલવાળા લોક, પણ તમારી નાતમાં પૂછી જુઓ, કોઈ લઈ ગયેલા ? મને લાગે છે કે એ ઓટીમાં ઘાલીને લઈ જતા હશે ? આ પૈસા જોડે લઈ જવાતા હોય તો તો આપણે એનું ધ્યાનેય કરીએ પણ એ જોડે લઈ જવાના નહીં ને ?

પ્રશ્નકર્તા : તો પછી મનુષ્યમાત્રની પૈસા મેળવવા તરફ વૃત્તિ કેમ રહેતી હશે ?

દાદાશ્રી : આ લોકોનું જોઈને કર્યા કરે છે. આ આવું કરે ને હું રહી ગયો, એવું એને થયા કરે છે. બીજું એના મનમાં એમ છે કે પૈસા

(પા.૭)

હશે તો બધું આવશે. પૈસાથી બધું મળે છે. પણ બીજો કાયદો એ જાણતો નથી કે પૈસા શા આધારે આવે છે ? જેમ શરીરની તંદુરસ્તી હોય ત્યારે ઊંઘ આવે, એવું મનની આ તંદુરસ્તી હોય તો લક્ષ્મીજી આવે.

પ્રશ્નકર્તા : છતાં પણ અત્યારે તો મોક્ષ કોઈનેય જોઈતો નથી, ફક્ત પૈસો જોઈએ છે.

દાદાશ્રી : તેથી તો ભગવાને કહ્યું છે ને, કે આ (મનુષ્યો) પ્રાણીઓની મોતે મરે છે. જેમ કૂતરાં, ગધેડાં પ્રાણીઓ મરે છે ને, તેમ આ માણસો મરી જાય છે, કમોતે મરે છે. હાય પૈસો ! હાય પૈસો ! કરતાં કરતાં મરે છે !

કશું જોડે લઈ જવાના ?

વાત તો સમજવી પડશે ને ? આમ ક્યાં સુધી પોલંપોલ ચાલશે ? ને ઉપાધિ ગમતી તો છે નહીં. આ મનુષ્યદેહ ઉપાધિથી મુક્ત થવા માટેનો છે, ખાલી પૈસા કમાવવા માટે નથી.

કોનું મકાન છે આ ? તમારું પોતાનું ? આવડું મોટું મકાન ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : માણસો કેટલા ?

પ્રશ્નકર્તા : ચાર.

દાદાશ્રી : આ સૂના ઘરમાં બીજા ત્રણ જ જણા ? બીજો, ત્રીજો માળ બધું એમનું એમ જ ને ? અને સંડાસ કેટલા ?

પ્રશ્નકર્તા : પાંચ, શાંતિનું સ્થાન જ એ છે.

દાદાશ્રી : જરા વૈરાગ્ય આવવાનું સ્થાન હતું, તેને આ લોકોએ વૈરાગ્ય ઊડી જાય એના માટે રસ્તો કરી આપ્યો. વૈરાગ્ય આવવાનું એટલું જ સ્થાન હતું આ કાળમાં, તે એમ ને એમ ઉડાડી દીધું. જ્યાં વૈરાગ્ય આવવાની ભૂમિકા હતી ત્યાં જ ઊંઘે છે લોકો, સિગારેટ પીને !

પ્રશ્નકર્તા : બબ્બે લાખ રૂપિયાના આલીશાન જાજરૂ બનાવ્યા છે લોકોએ !

દાદાશ્રી : એ તો મેંય મુંબઈમાં જોયેલું ને ! મને એના એ જ લોકોએ બતાડેલા કે દાદા, આ આવું બનાવ્યું છે. મેં કહ્યું, ‘હશે, હવે જે કર્યું એ કર્યું. મેલ છાલ હવે. એ તો અહીંને માટે કર્યું. ત્યાં લઈ જવા માટે શું કર્યું, એ મને કહે. અહીંની સેફસાઈડ કરી, પણ ત્યાં લઈ જવાની ?

પુણ્ય પણ પાપાનુબંધી

પ્રશ્નકર્તા : એ પૈસા ક્યાંથી આવતા હશે ?

દાદાશ્રી : પૈસા તો પુણ્યશાળીની પાસે બધા હોય જ ને ?

પ્રશ્નકર્તા : એ પૈસા પુણ્યશાળી પાસે હોય એવું કંઈ નથી.

દાદાશ્રી : ત્યારે પાપી પાસે પૈસા હોય નહીં.

પ્રશ્નકર્તા : અત્યારે તો પાપી પાસે જ પૈસો છે.

દાદાશ્રી : પાપી પાસે નથી, તે હું આપને સમજાવું બરોબર. તમે મારી વાત સમજો એક વખત કે પુણ્ય વગર તો રૂપિયો આપણને અડે નહીં. કાળા બજારનોય ના અડે કે ધોળા બજારનોય ના અડે. પુણ્ય વગર તો ચોરીનોય પૈસો આપણને ના અડે, પણ એ પાપાનુબંધી પુણ્ય છે. તે છેવટે પાપમાં જ લઈ જાય છે. એ પુણ્ય જ અધોગતિમાં લઈ જાય છે.

ખરાબ પૈસો આવે એટલે ખરાબ વિચાર આવે કે કોનું ભોગવી લઉં, આખો દહાડો ભેળસેળ કરવાના વિચાર આવે, એ અધોગતિમાં

(પા.૮)

જાય છે. પુણ્ય ભોગવતો નથી ને અધોગતિમાં જાય છે. એના કરતાં પુણ્યાનુબંધી પાપ સારું કે આજ જરા શાક લાવવામાં અડચણ પડે પણ આખો દહાડો ભગવાનનું નામ તો લેવાય અને પુણ્યાનુબંધી પુણ્ય હોય, તે પુણ્ય ભોગવે અને નવું પુણ્ય ઊભું થાય.

ન મળે સુખ, પુણ્ય સિવાય

પ્રશ્નકર્તા : ભૌતિક સુખો મળે છે, તેમણે કઈ જાતના કર્મો કર્યાં હોય તો તે મળે ?

દાદાશ્રી : આ કોઈ દુઃખી થતું હોય એમને સુખ આપે, તેનાથી પુણ્યૈ બંધાય અને પરિણામે એવું સુખ આપણને મળે. કોઈને દુઃખ આપો તો તમને દુઃખ મળે. તમને પસંદ આવે તે આપજો.

બે જાતની પુણ્યૈઃ એક પુણ્યૈથી ભૌતિક સુખ મળે અને બીજી એક એવા પ્રકારની પુણ્યૈ છે કે જે આપણને ‘સચ્ચી આઝાદી’ (મુક્તિ) પ્રાપ્ત કરાવે.

મૂઆ પીછેય ચાલશે...

ઘરમાં સુખ હોત તો કોઈ માણસ મોક્ષ ખોળત નહીં ને ! આ તો સંસાર છે એટલે એવું જ હોય, પણ બે ટાઈમ ખાવા મળે છે ને ! ખમીસ પહેરવા મળે છે ને !

પ્રશ્નકર્તા : પણ પૈસાનું સુખ નથી.

દાદાશ્રી : આપણને ખાવા તો મળે છે ને ! આ મુંબઈમાં તો બધા પૈસા સારુ દોડે છે. ધનની ઈચ્છા છે ને બધાને ! આપણે સંતોષ રાખીએ. આપણો હિસાબ હશે તો મળશે. જે હિસાબ લાવ્યો હોય તો તે હિસાબની બહાર તો એકદમ મળી ન જાય ને ? કેટલું ધન ભેગું કરવું છે ?

પ્રશ્નકર્તા : જિંદગીના અંત સુધી ભેગું કરવું છે.

દાદાશ્રી : પણ પછી સાથે કશું લઈ જવાનું નહીં, તો આવી દોડધામ કોણ કરે ?

પ્રશ્નકર્તા : આવ્યા’તા, તે કંઈ સાથે લઈને આવ્યા’તા ?

દાદાશ્રી : બસ, સાથે લઈને આવવાનું નહીં ને સાથે લઈ જવાનું નહીં. કાયદો સારો છે, નહીં તો આ રાતેય ના ઊંઘે. રાતેય દુકાનો ચાલુ હોત અને ઈલેક્ટ્રિસિટી વાપરત, આખી રાત.

આ બે વાત જો સમજે ને, તો કશી ઉપાધિ ના રહે !

‘જન્મ પહેલાં ચાલતો ને મૂઆ પીછે ચાલશે;

અટકે ના કોઈ દી વહેવાર રે...

સાપેક્ષ સંસાર રે...’

‘જન્મ પહેલાં પારણું ને મૂઆ પીછે લાકડાં;

સગાંવહાલાં રાખશે તૈયાર રે...

વચ્ચે ગાઢ જંજાળ રે...’

બધા બુદ્ધિજીવીઓને આ એક્સેપ્ટ (સ્વીકાર) કરવું પડે, એવી વાત છે ને !

જિંદગીની જરૂરિયાતનું ધોરણ શું ?

આ તો ચિંતા કરે તેય પડોશીઓનું જોઈને. પડોશીને ઘેર ગાડી ને આપણે ઘેર નહીં. અલ્યા, જીવન-જરૂરિયાત માટે કેટલું જોઈએ ? તું એકવાર નક્કી કરી લે કે આટલી આટલી મારી જરૂરિયાત છે. દા.ત. ઘરમાં ખાવા-પીવાનું પૂરતું જોઈએ, રહેવા માટે ઘર જોઈએ, ઘર ચલાવવા પૂરતી લક્ષ્મી જોઈએ. તે તેટલું તને મળી રહેશે જ. પણ જો પડોશીએ બેન્કમાં દશ હજાર મૂક્યા હોય તો તને મહીં ખૂંચ્યા કરે. આનાથી તો દુઃખ ઊભા થાય છે. દુઃખને મૂઓ જાતે જ નોતરે છે. એક જમીનદાર

(પા.૯)

મારી પાસે આવ્યો, તે મને પૂછવા લાગ્યો કે ‘જીવન જીવવા માટે કેટલું જોઈએ ? મારે ઘેર હજાર વીઘા જમીન છે, બંગલો છે, બે મોટરો છે ને બેંક બેલેન્સ પણ ખાસ્સું છે. તો મારે કેટલું રાખવું ?’ મેં કહ્યું, ‘જો ભાઈ, દરેકની જરૂરિયાત કેટલી હોવી જોઈએ તેનો ખ્યાલ તેના જન્મ વખતે કેટલી જાહોજલાલી હતી, તેના ઉપરથી આખી જિંદગી માટેનું ધોરણ તું નક્કી કર. તે જ દરઅસલ નિયમ છે. આ તો બધું એક્સેસ (વધારા)માં જાય છે અને એક્સેસ તો ઝેર છે, મરી જઈશ !’

લક્ષ્મી પણ સંભાર્યા વિના આવે

એક ભાઈ અહીં આવેલા. તે બિચારાને ધંધામાં દર મહિને ખોટ જાય, તે પૈસાની હાય હાય કરતા હતા. મેં એમને કહ્યું, ‘પૈસાની શું કરવા વાત કરો છો ? પૈસા સંભારવાના બંધ કરી દો.’ ત્યારથી એમને પૈસા વધવા માંડ્યા. તે દર મહિને ત્રીસ હજાર રૂપિયા નફો થવા માંડ્યો. નહીં તો પહેલાં વીસ હજાર રૂપિયાની ખોટ આવતી હતી. પૈસાને તો સંભારાતા હશે ? લક્ષ્મીજી એ તો ભગવાનની સ્ત્રી કહેવાય. એનું નામ તો દેવાતું હશે ?

નાણાંના અંતરાય ક્યાં સુધી હોય ? જ્યાં સુધી કમાવાની ઈચ્છા હોય ત્યાં સુધી. નાણાં તરફ દુર્લક્ષ થયું એટલે એ ઢગલેબંધ આવે.

ખાવાની જરૂર નથી ? સંડાસ જવાની જરૂર નથી ? તેમ લક્ષ્મીની પણ જરૂર છે. સંડાસ જેમ સંભાર્યા સિવાય થાય છે, તેમ લક્ષ્મી પણ સંભાર્યા સિવાય આવે છે.

જરૂરિયાત શેની ?

પ્રશ્નકર્તા : લક્ષ્મી ના હોય તો સાધન ના હોય અને સાધન માટે લક્ષ્મીની જરૂર છે. એટલે લક્ષ્મીના સાધન વિના આપણે જે જ્ઞાન લેવા ધારતા હોય તો એ ક્યારે મળે ? એટલે લક્ષ્મી એ જ્ઞાનની નિશાળે જવાનું પહેલું સાધન છે, એવું નથી લાગતું ?

દાદાશ્રી : ના, લક્ષ્મી એ બિલકુલેય સાધન નથી. જ્ઞાન માટે તો નહીં, પણ એ કોઈ રીતે બિલકુલેય સાધન જ નથી. આ દુનિયામાં જો જરૂરિયાત વગરની વસ્તુ હોય તો તે લક્ષ્મી છે. જરૂરિયાત જે લાગે છે એ તો ભ્રાંતિ અને અણસમજણથી માની બેઠા છે. જરૂરિયાત શેની છે ? હવાની પહેલી જરૂરિયાત છે. જો હવા ના હોય તો તું કહું કે ના, હવાની જરૂરિયાત છે. કારણ કે હવા વગર મરી જવાય છે. લક્ષ્મી વગર મરી ગયેલા જોવામાં આવ્યા નથી. એટલે આ લક્ષ્મી એ જરૂરિયાતનું સાધન છે એવું કહે છે, એ તો બધી મેડનેસ (ગાંડપણ) છે. કારણ કે બે મિલોવાળાનેય લક્ષ્મી જોઈએ છે, એક મિલવાળાનેય લક્ષ્મી જોઈએ છે, મિલના સેક્રેટરીનેય લક્ષ્મી જોઈએ છે, મિલના મજૂરનેય લક્ષ્મી જોઈએ છે, ત્યારે સુખી કોણ આમાં ? આ તો રાંડેલીય રડે ને માંડેલીય રડે ને સાત ભાયડાવાળીય રડે. આ રાંડેલી તો રડે, તે આપણે જાણીએ કે બઈનો ધણી મરી ગયો છે, પણ આ માંડેલી, ‘તું શું કરવા રડે છે ?’ ત્યારે એ કહેશે, ‘મારો ધણી નઠારો છે.’ અને સાત ભાયડાવાળી તો મોઢું જ ના ઊઘાડે ! એવી આ લક્ષ્મીની બાબત છે. એટલે કેમ આ લક્ષ્મીની પાછળ પડ્યા છે ? આવું ક્યાં ફસાયા તમે ?

વધુ લક્ષ્મી માણસને મજૂર બનાવે

લક્ષ્મી માણસને મજૂર બનાવે છે. જો લક્ષ્મી વધુ પડતી આવી એટલે પછી માણસ મજૂર જેવો થઈ જાય. એમની પાસે લક્ષ્મી વધુ છે, પણ જોડે જોડે આ દાનેશ્વરી છે, એટલે સારું છે. નહીં તો મજૂર જ કહેવાય ને ! અને આખો દહાડો વૈતરું કર્યા જ કરતો હોય. એને બૈરીની ના પડેલી હોય, છોકરાંની ના પડેલી હોય, કોઈનીય ના પડેલી

(પા.૧૦)

હોય, લક્ષ્મી એકલીની જ પડેલી હોય. એટલે લક્ષ્મી માણસને ધીમે ધીમે મજૂર બનાવી દે અને પછી તિર્યંચ ગતિમાં લઈ જાય. કારણ કે પાપાનુબંધી પુણ્ય છે ને ! પુણ્યાનુબંધી પુણ્ય હોય તો તો વાંધો નથી. પુણ્યાનુબંધી પુણ્ય કોને કહેવાય કે આખા દિવસમાં અરધો જ કલાક મહેનત કરવી પડે. એ અરધો કલાક મહેનત કરે અને બધું કામ સરળતાથી ધીમે ધીમે ચાલ્યા કરે.

આ જગત તો એવું છે. એમાં ભોગવનારાય હોય ને મહેનત કરનારાય હોય, બધું ભેળસેળ હોય. મહેનત કરનારા એમ જાણે કે આ હું કરું છું. એનો એમનામાં અહંકાર હોય. જ્યારે ભોગવનારામાં એ અહંકાર ના હોય. ત્યારે આમને ભોક્તાપણાનો રસ મળે. પેલા મહેનત કરનારાને અહંકારનો ગર્વરસ મળે.

એક શેઠ મને કહે, ‘આ મારા છોકરાને કશું કહો ને ! મહેનત કરવી નથી, નિરાંતે ભોગવે છે.’ મેં કહ્યું, ‘કશું કહેવા જેવું જ નથી. એ એની પોતાના ભાગની પુણ્ય ભોગવતો હોય, એમાં આપણે શું કરવા ડખો કરીએ ?’ ત્યારે એ મને કહે, કે ‘એમને ડાહ્યા નથી કરવા ?’ મેં કહ્યું, જગતમાં જે ભોગવે છે એ ડાહ્યો કહેવાય. બહાર નાખી દે એને ગાંડો કહેવાય ને મહેનત કર્યા કરે એ તો મજૂર કહેવાય. પણ મહેનત કરે છે તેને અહંકારનો રસ મળે ને ! લાંબો કોટ પહેરીને જાય એટલે લોક ‘શેઠ આવ્યા, શેઠ આવ્યા’ કરે બસ એટલું જ અને ભોગવનારાને એવી કંઈ શેઠ-બેઠની પડેલી ના હોય. આપણે તો આપણું ભોગવ્યું એટલું સાચું !

અત્યારે છે એ તો લક્ષ્મી જ ના કહેવાય. આ તો પાપાનુબંધી પુણ્યવાળી લક્ષ્મી ! તે પુણ્ય એવા બાંધેલાં કે અજ્ઞાન તપ કરેલા, તેનું પુણ્ય બંધાયેલું. તેનું ફળ આવ્યું, તેમાં લક્ષ્મી આવી. આ લક્ષ્મી માણસને ગાંડો-ઘેલો બનાવી દે. આને સુખ જ કહેવાય કેમ ? સુખ તો પૈસાનો વિચાર ના આવે, તેનું નામ સુખ. અમને તો વર્ષમાં એકાદ દિવસ વિચાર આવે કે ગજવામાં પૈસા છે કે નહીં.

પ્રશ્નકર્તા : બોજારૂપ લાગે ?

દાદાશ્રી : ના, બોજો તો અમને હોય જ નહીં. પણ અમને એ વિચાર જ ના હોય ને ! શેને માટે વિચાર કરવાના ? બધું આગળ-પાછળ તૈયાર જ હોય છે. જેમ ખાવા-પીવાનું તમારા ટેબલ પર આવે છે કે નથી આવતું ?

પૈસાના વિચાર એ કુટેવ

પૈસા માટે વિચાર કરવો એ એક કુટેવ છે. એ કેવી કુટેવ છે કે એક માણસને તાવ બહુ ચઢ્યો હોય અને આપણે તેને વરાળ આપીને તાવ ઉતારીએ. વરાળ આપી એટલે તેને પરસેવો બહુ થઈ જાય, એવું પછી પેલા રોજ વરાળ આપીને પરસેવો કાઢ કાઢ કરે તો એની સ્થિતિ શું થાય ? પેલો આમ જાણે કે આ રીતે એક દહાડો મને બહુ ફાયદો થયેલો, મારું શરીર હલકું થઈ ગયેલું, તે હવે આ રોજની ટેવ રાખવી છે. રોજ વરાળ લે ને પરસેવો કાઢ કાઢ કરે તો શું થાય ?

પ્રશ્નકર્તા : શરીરમાંથી પાણી બધું નીકળી જાય.

દાદાશ્રી : પછી આ લાકડું થઈ જાય. આ ડુંગળીને જેમ સૂકવે છે ને ? એવી રીતે આ લક્ષ્મીનું ચિંતવન કરવું એ એના જેવું છે. જેમ આ પરસેવો પ્રમાણમાં જ નીકળે છે, એવી રીતે લક્ષ્મી પ્રમાણસર આવ્યા જ કરે છે. તમ તમારે કામ કર્યે જવાનું છે. કામમાં ગાફેલ નહીં રહેવાનું. લક્ષ્મી તો આવ્યા જ કરશે. લક્ષ્મીના વિચાર નહીં કરવાના કે આટલી આવજો ને તેટલી આવજો, કે આવે તો સારું, એવું વિચારવું નહીં. એનાથી તો લક્ષ્મીજીને બહુ રીસ ચઢે છે. મને લક્ષ્મીજી રોજ મળે છે ત્યારે

(પા.૧૧)

હું તેમને પૂછું છું કે ‘તમે કેમ રિસાણા છો ?’ ત્યારે લક્ષ્મીજી કહે છે કે ‘હવે આ લોકો એવા થઈ ગયા છે કે તમારે મારે ત્યાંથી જવાનું નહીં, એવું કહે છે.’ ત્યારે લક્ષ્મીજી શું એના પિયર ના જાય ? લક્ષ્મીજીને ઘરની મહીં આંતરી રખાય ?

સ્મશાનમાં પૈસા ખોળાય ?

લોક પૈસાની પાછળ જ પડ્યા છે કે ક્યાંથી પૈસો લેવો ? અલ્યા, આ સ્મશાનમાં શેના પૈસા ખોળો છો ? આ તો સ્મશાન થઈ ગયું છે. પ્રેમ જેવું કશું દેખાતું નથી, ખાવા-પીવામાં ચિત્તના ઠેકાણા નથી, લૂગડાં પહેરવાનું ઠેકાણું નથી, જણસો પહેરવાનું ઠેકાણું નથી, કશામાં બરકત ના રહી. આ કઈ જાતનું ! આવું ક્યાં સુધી ચાલશે ? આ કઈ જાતની જીવાત પાકી એ જ સમજાતું નથી ! આખો દહાડો પૈસા, પૈસા ને પૈસાની પાછળ જ !

પૈસા તો જેટલા આવવાના હશે એટલા જ આવશે. ધર્મમાં પડશે તોય એટલા આવશે ને અધર્મમાં પડશે તોય એટલા આવશે. પણ અધર્મમાં પડશે તો દુરુપયોગ થશે ને દુઃખી થશે અને આ ધર્મમાં સદુપયોગ થશે ને સુખી થશે અને મોક્ષે જવાશે તે વધારાનું. બાકી પૈસા તો આટલા જ આવવાના.

પૈસા ‘વ્યવસ્થિત’ને આધીન છે. પછી ધર્મમાં રહેશે કે અધર્મમાં રહેશે તોય પૈસા તો આવ્યા જ કરશે.

પૈસો કુદરતી રીતે આવવાનો છે. એનો રસ્તો કુદરતી રીતે છે. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે, તેની પાછળ આપણે પડવાની શી જરૂર ? એ જ આપણને મુક્ત કરે તો બહુ સારું ને, બાપ !

આ તો શેઠ આખો દહાડો લક્ષ્મીના ને લક્ષ્મીના વિચારોમાં જ ઘૂમ્યા કરે ! એટલે મારે શેઠને કહેવું પડે છે, કે ‘શેઠ, તમે લક્ષ્મી પાછળ પડ્યા છો ? ઘેર બધું ભેળાઈ ગયું છે !’ છોડીઓ મોટર લઈને આમ જતી હોય, છોકરાઓ તેમ જાય ને શેઠાણી આ બાજુ જાય. ‘શેઠ, તમે તો બધી રીતે લૂંટાઈ ગયા છો !’ ત્યારે શેઠે પૂછયું, ‘મારે કરવું શું ?’ મે કહ્યું, ‘વાતને સમજો ને ! કેવી રીતે જીવન જીવવું એ સમજો. એકલા પૈસા પાછળ ના પડો. શરીરનું ધ્યાન રાખતા રહો, નહીં તો હાર્ટ-ફેઈલ થશે.’ શરીરનું ધ્યાન, પૈસાનું ધ્યાન, છોકરીઓના સંસ્કારનું ધ્યાન, બધા ખૂણા વાળવાના છે. એક ખૂણો તમે વાળ વાળ કરો છો ! હવે બંગલામાં એક જ ખૂણો ઝાપટ ઝાપટ કરીએ ને બીજે બધે પૂંજો પડ્યો હોય તો કેવું થાય ? બધા જ ખૂણા વાળવાના છે. આ રીતે તો જીવન કેમ જિવાય ?

કમાવાની ભાવના એ રૌદ્રધ્યાન

પૈસા કમાવાની ભાવના એટલે જ રૌદ્રધ્યાન. પૈસા કમાવાની ભાવના એટલે બીજા પાસે પૈસા ઓછા કરવાની ભાવના ને ? એટલે ભગવાને કહ્યું, કે ‘કમાવાની તું ભાવના જ ના કરીશ.’ તું રોજ નાહવા માટે ધ્યાન કરે છે ?

પ્રશ્નકર્તા : ના, સાહેબ.

દાદાશ્રી : નાહવાનું ધ્યાન નથી કરતો તોય ડોલ પાણીની મળે છે કે નથી મળતી ?

પ્રશ્નકર્તા : મળે છે.

દાદાશ્રી : જેમ નાહવા માટે પાણીની ડોલ મળી રહે છે તેમ જરૂરિયાત પૂરતા પૈસા દરેકને મળી રહે એવો નિયમ જ છે. અહીં આગળ પણ વગર કામનું ધ્યાન કરે છે !

આખો દહાડો ગોદડાંનો હિસાબ કાઢ કાઢ કરો છો કે રાતે ગોદડું પાથરવા મળશે કે નહીં મળે ? આ તો સાંજ પડે ને સવાર થયે લક્ષ્મી,

(પા.૧૨)

લક્ષ્મી ને લક્ષ્મી ! અલ્યા, કોણ ગુરુ મળ્યો તને ? કોણ એવો ડફોળ ગુરુ મળ્યો કે જેણે તને એકલા લક્ષ્મીની પાછળ જ પાડ્યો ! ઘરના સંસ્કાર લૂંટાઈ ચાલ્યા, આરોગ્યતા લૂંટાઈ ચાલી, બ્લડપ્રેશર થઈ ગયું. હાર્ટ ફેઈલની તૈયારી ચાલતી હોય ! તને કોણ એવા ગુરુ મળ્યા કે એકલી લક્ષ્મીની-પૈસાની પાછળ પડ એવું શીખવાડ્યું ?

આમને કોઈ ગુરુ ના મળે ત્યારે લોકસંજ્ઞા એ એમના ગુરુ કહેવાય છે. લોકસંજ્ઞા એટલે લોકોએ પૈસામાં સુખ માન્યું એટલે આપણેય એમાં સુખ માન્યું એ લોકસંજ્ઞા.

એ લોકસંજ્ઞા ક્યારે ઉત્પન્ન થાય ? પોતે મહીં ધરાયેલો ના હોય ત્યારે. મને અત્યાર સુધી કોઈ સુખ લગાડનાર મળ્યો નથી ! નાનપણથી જ મને રેડિયો સરખો લાવવાની જરૂર પડી નહીં. આ બધા જીવતા જાગતા રેડિયો જ ફર્યા કરે છે ને ! મહીં લોભ પડ્યો હોય ત્યારે લોકસંજ્ઞા ભેગી થાય.

લોકસંજ્ઞાથી આ રોગ પેસી ગયો ત્યારે કઈ સંજ્ઞાથી આ રોગ નીકળે ? ત્યારે ભગવાન કહે છે કે જ્ઞાનીની સંજ્ઞાથી આ રોગ નીકળે. લોકસંજ્ઞાથી પેઠેલો રોગ જ્ઞાનીની સંજ્ઞાથી નીકળી જાય.

એટલે અમે કહેવા માગીએ છીએ કે આ નાહવાના પાણી માટે કે રાતે સૂવાના ગાદલા માટે કે બીજી કેટલીક વસ્તુઓ માટે તમે વિચાર સરખો કરતાં નથી છતાં શું એ તમને નથી મળતું ? તેમ લક્ષ્મી માટે પણ સહજ રહેવાનું હોય.

એ આવે કે લાવવી પડે ?

પૈસા ભેગા કરવાની ઈચ્છા છે પણ પૈસા શેનાથી આવે તે ખબર નથી. તે એક માણસે પૂછ્યું કે ‘દાદા, કેવી રીતે લક્ષ્મી આવે ?’ મેં કહ્યું, ‘જેવી રીતે ઊંઘ આવે છે તેવી રીતે.’ હા, કેટલાકને ઊંઘ બિલકુલેય નથી આવતી ને ? તો એવું, ત્યાં રૂપિયાયે ના દેખાય. એ રૂપિયા અને ઊંઘ એ બે સિમિલી છે. જેમ ઊંઘ આવે છે ને, તેવી રીતે જ લક્ષ્મી આવે છે. ઊંઘ લાવવાને માટે તમારે કશું કરવું નથી પડતું અને જો પ્રયત્ન કરશો તો વધારે આઘી જશે. ઊંઘ લાવવાને માટે પ્રયત્ન કરશો તો દૂર જશે. આજે કરી જોજો ને !

આ મુંબઈ શહેર આખું દુઃખી છે. કારણ કે પાંચ લાખ મળવાને લાયક છે, એ કરોડનો સિક્કો મારીને બેઠા છે ને હજાર મળવાને લાયક છે એ લાખનો સિક્કો મારીને બેઠા છે !

ખપે રાજલક્ષ્મી કે મોક્ષલક્ષ્મી ?

ભગવાને તો આ શું કહ્યું, કે ‘આ રાજલક્ષ્મી મને સ્વપ્ને પણ ના હો.’ કારણ કે રાજ જેવી સંપત્તિ હોય, એના માલિક થવા જાય તો પછી મોક્ષે શી રીતે જાય ? એટલે એ સંપત્તિ તો સ્વપ્ને પણ ના હો !

પ્રશ્નકર્તા : મોક્ષે કેમ ના જવા દે ?

દાદાશ્રી : શી રીતે મોક્ષે જવા દે ? આ ચક્રવર્તીઓ બધું ચક્રવર્તી રાજ છોડીને જતા રહે ત્યારે મોક્ષે જવાય; નહીં તો ચિત્ત તો એ બધામાં ઘૂસેલું હોય. તે દહાડે કંઈ અક્રમ વિજ્ઞાન હતું ? ક્રમિક માર્ગ હતો. આ તો અક્રમ વિજ્ઞાન છે. એટલે નિરાંતે જ્ઞાનની ગોઠવણી કરીને સૂઈ જઈએ ને આખી રાત મહીં સમાધિ રહે.

પ્રશ્નકર્તા : આપે કહેલું ને કે સારા કુટુંબમાં જન્મેલા હોય એટલે બધું લઈને જ આવ્યા હોય એટલે માથાકૂટ વધારે કરવા માટે રહી નહીં, એવું ખરું ને ?

દાદાશ્રી : હા, બધું લઈને જ આવ્યો હોય પણ તે વ્યવહાર ચલાવવા પૂરતું, પોતાનું બધું ચાલે એટલું જ. બાકી કરોડાધિપતિ તો કોઈક જ થઈ જાય.

(પા.૧૩)

પ્રશ્નકર્તા : ચક્રવર્તી રાજાઓ પણ છેલ્લે મોક્ષે જવાનું જ વધારે ઈમ્પોર્ટન્ટ (અગત્યનું) ગણતા હતા ને ! અગત્યનું મોક્ષ જ છે. ચક્રવર્તીપણામાં સુખ નથી ને ?

દાદાશ્રી : અગત્યનો મોક્ષ છે એવું નથી, એ ચક્રવર્તીનું પદ એટલું બધું એમને કૈડે કે મનમાં થાય કે ક્યાંક નાસી જઉં હવે ! તેથી મોક્ષ સાંભરે. કેટલો બધો પુણ્યશાળી હોય તો ચક્રવર્તી થાય, પણ ભાવ તો મોક્ષે જવું એવો જ હોય. બાકી પુણ્ય તો બધી ભોગવવી જ પડે ને !

પૈસા સાચવવા મહા મુશ્કેલી

પ્રશ્નકર્તા : લોકોની પુણ્યાઈ હશે તો એમને આ સંપત્તિ ભેગી થઈ. આ પુણ્યાઈ ઓર એવી વધી કે એ લોકોને હવે આ બાજુ બધો ઉપયોગ એનો થવા માંડ્યો.

દાદાશ્રી : એ બધી પુણ્યાઈ ને જબરજસ્ત પુણ્ય ને ! પણ સાચવવું મુશ્કેલ પડી જાય.

પ્રશ્નકર્તા : એટલે એ બરોબર છે. ઉપાધિ તો ખરી જ ને ! શરૂઆત પછી ત્યાંથી જ થાય છે.

દાદાશ્રી : ના હોય તેના જેવું તો એકુંય નહીં.

પ્રશ્નકર્તા : પૈસા ના હોય, સંપત્તિ ના હોય, તો એના જેવું એકુંય નહીં ?

દાદાશ્રી : હા, એના જેવું એકુંય નહીં. સંપત્તિ એ તો ઉપાધિ છે. સંપત્તિ જો આ બાજુ ધર્મમાં વળી ગઈ હોય તો વાંધો નથી, નહીં તો ઉપાધિ થઈ પડે. કોને આપવી, હવે ક્યાં મૂકવી, એ બધી ઉપાધિ થઈ પડે !

પ્રશ્નકર્તા : હા, એ ઉપાધિ ! જેની પાસે બહુ ભેગું થઈ ગયું છે, તેને હંમેશાં ઉપાધિ !

દાદાશ્રી : બહુ મુશ્કેલી ! એના કરતાં ઓછું કમાઈએ તે સારું. અહીં બાર મહિને દસ હજાર કમાયા અને એક હજાર ભગવાનને ત્યાં મૂકી દે, તો એને કંઈ ઉપાધિ નથી. પેલો લાખો આપે અને આ હજાર આપે, બેય સરખા, પણ હજારેય કંઈક આપવા જોઈએ. મારું શું કહેવાનું કે લુખ્ખું ના રાખવું, ઓછામાંથી પણ કંઈક આપવું. વધારે હોય અને તે આ ધર્મ બાજુ વળી ગયું એટલે આપણી પછી જવાબદારી નથી, નહીં તો જોખમ. બહુ પીડા એ તો ! પૈસા સાચવવા એટલે બહુ મુશ્કેલી. ગાયો-ભેંસો સાચવવી સારી, ખીલે બાંધી તો સવાર સુધી જતી તો ના રહે. પણ પૈસા સાચવવા બહુ મુશ્કેલી ! મુશ્કેલી, ઉપાધિ બધી !

એ તો તારે સારું કે તારા પૈસા કોઈ જગ્યાએ દેખાતા ન હતા, નહીં તો પૈસા દબાઈ જ જાય. મારે બધા બહુ દબાઈ ગયેલા. હું તો મુક્ત થયો, નિરાંત થઈ ગઈ. આપણે તો સંભારવાનું જ મટી ગયું ને ! મારા જેવાને કોઈ આપેય નહીં ને !

દયાળુ, લાગણીવાળો સ્વભાવ મારો ! ઉઘરાણી કરવા ગયો હોઉં તો ઊલટો એને આપીને આવું ! આમ ઉઘરાણી કરવા તો જાઉં જ નહીં કોઈ દહાડો. ઉઘરાણી કરવા જાઉં તો તે દહાડે એમને કંઈ ભીડ પડી હોય તો ઊલટો આપીને આવું. મારે ગજવામાં કાલે વાપરવાના હોય તેય આપીને આવું ! તે કાલે વાપરવામાં હું મૂંઝાઉં ! એવી રીતે મારું જીવન ગયું છે.

સાધનો બંધન થઈ પડ્યા

અમદાવાદના શેઠિયાઓને બે મિલો છે, છતાં એમનો બફારો તો અહીં આગળ વર્ણન ના થાય એવો છે. બબ્બે મિલો હોય, છતાં એ ક્યારે ફેઈલ થઈ જાય એ કહેવાય નહીં. આમ સ્કૂલમાં પાસ સારી રીતે થતા હતા, પણ અહીં આગળ ક્યારે ફેઈલ થઈ જાય એ કહેવાય નહીં. કારણ કે એણે ‘બેસ્ટ ફૂલિશનેસ’ આદરવા માંડી છે. ‘ડિસ્ઓનેસ્ટી

(પા.૧૪)

ઈઝ ધી બેસ્ટ ફૂલિશનેસ.’ આ ફૂલિશનેસની તો હદ હોય ને ? કે ‘બેસ્ટ’ સુધી પહોંચવાનું ? તે આજે બેસ્ટ ફૂલિશનેસ સુધી પહોંચ્યા ! અને આપણે ત્યાં મોટા મોટા બંગલા હોય છે ને, તે બંગલામાં આપણે સફાઈ જોઈએ છીએ ને ? એવા આ મોટા મોટા મકાનો હોય છે. તે કેટલાય મજલાના, તે જેમ જેમ ઊંચે ચડ્યા તેમ તેમ સફાઈ વધે અને જેટલી સફાઈ વધે એટલી બળતરા વધે. પછી એ બળતરાના ઉપાયમાં બ્રાંડી (દારૂ) ને બીજા બધા ઉપાયો કરે. તો શું સફાઈ એડમીટ ના કરવી ? ના, સફાઈ એડમીટ એટલી કરવી સારી કે જે પછી મેલી થાય તોય આપણને ચિંતા ના થાય. છોકરો એ સફાઈ બગાડે તોય આપણે છોકરાં ઉપર ગુસ્સે ના થવું પડે. આ તો કહેશે, કે ‘આ જૂનો સોફાસેટ બદલી નાખીએ ?’ ત્યારે મેં કહ્યું કે ‘ના, એને રહેવા દો ને !’ કારણ કે નાના છોકરાં એની પર બ્લેડથી કાપો મૂકે તોય આપણને વાંધો ના આવે. ઊલટું એને કહીએ, ‘લે, બીજો કાપો મૂક.’ એટલે આપણને નિર્ભયપણું રહે. આપણે સાધનો એવા રાખો કે જે સાધન આપણને ભય ન પમાડે, નહીં તો પછી પેલું કૃપાળુદેવે ગાયું છે એવું થાય કે...

‘સહુ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય,

સત્ સાધન સમજ્યો નહીં ત્યાં બંધન શું જાય ?’

એટલે આ સાધનો જ બંધન થઈ પડ્યા છે, તેમ છતાં કેટલાક સાધનો એવા હોય છે કે આવશ્યક છે. એ સાધનને હલાવવાના નથી. કારણ કે એ આવશ્યક હોવા જ ઘટે. પણ એનું પ્રમાણ આપણે જાણવું જોઈએ. બંગલો કેવડો બાંધવો એની કંઈક લિમિટ તો હોય કે ના હોય ? આપણી પાસે પાંચ અબજ રૂપિયા છે, પણ બંગલો કેવડો બાંધવો એની લિમિટ હોય કે એ અનલિમિટેડ હોય ? કોઈનો બંગલો અનલિમિટેડ જોયો તમે ? ના. હશે, કોઈકનો તો હશે ને ? અનલિમિટેડ કોઈનો હોય નહીં ને ! હોટલેય અનલિમિટેડ ના હોય, એણે લિમિટ કરેલી હોય, પણ બંગલા લિમિટેડ થતા નથી. એટલે મારું કહેવાનું કે આમાં શું કામ અનલિમિટેડ થાવ છો ? કારણ કે એ જ પછી પોતાને ઉપાધિ થાય. છોકરાએ સહેજ બગાડ્યું કે એની પર અકળાયા કરે ને છોકરાને માર માર કરે !

ટેમ્પરરી જગતમાં હાશ ના કરાય

એટલે પૈસા હોય તોય દુઃખ, પૈસા ના હોય તોય દુઃખ, મોટા પ્રધાન થયા તોય દુઃખ, ગરીબ હોય તોય દુઃખ, ભિખારી હોય તોય દુઃખ, રાંડેલીને દુઃખ, માંડેલીને દુઃખ, સાત ભાયડાવાળીને દુઃખ. દુઃખ, દુઃખ ને દુઃખ. અમદાવાદના શેઠિયાઓનેય દુઃખ. એનું શું કારણ હશે ?

પ્રશ્નકર્તા : એને સંતોષ નથી.

દાદાશ્રી : આમાં સુખ હતું જ ક્યાં તે ? સુખ હતું જ નહીં આમાં. આ તો ભ્રાંતિથી લાગે છે. જેમ દારૂ પીધેલો માણસ હોય, એનો એક હાથ ગટરમાં પડ્યો હોય તો કહેશે, ‘હા, મહીં ઠંડક લાગે છે. બહુ સરસ છે.’ તે દારૂને લીધે એવું લાગે છે. બાકી આમાં સુખ હોય જ ક્યાં આગળ ? આ તો નર્યો એંઠવાડ છે બધો !

આ સંસારમાં સુખ છે જ નહીં. સુખ હોય જ નહીં ને સુખ હોય તો તો મુંબઈ આવું ના હોય. સુખ છે જ નહીં. આ તો ભ્રાંતિનું સુખ છે અને તે ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે ખાલી.

નાણાંનો બોજો રાખવા જેવો નથી. બેન્કમાં જમા થાય એટલે હાશ કરે ને જાય એટલે દુઃખ થાય. આ જગતમાં કશું જ હાશ કરવા જેવું નથી, કારણ કે ટેમ્પરરી છે.

(પા.૧૫)

પૈસા જાય ત્યારે શું પુરુષાર્થ ?

આખા જગતના લોકો આખી જિંદગી આમ નાણાં પાછળ પડ્યા છે ! એ કોઈ નાણાંથી ધરાયેલો દેખાયો એવો મેં જોયો નથી. તો ગયું ક્યાં આ બધું ?

એટલે આપણું બધું ઠોકાઠોક ચાલે છે. ધર્મનો તો અક્ષરેય સમજતા નથી અને બધું ચાલ્યા કરે છે. એટલે મુશ્કેલી આવે ત્યારે કેમ કરવું તે એમને ના આવડે. પૈસા આવવા માંડે તે વખતે કૂદાકૂદ કર્યા કરે. પણ પાછી મુશ્કેલી આવે ત્યારે કેમ એનો નિકાલ કરવો તે આવડે નહીં એટલે નર્યાં પાપો જ બાંધી દે. તે ઘડીએ પાપ ના બંધાય ને ટાઈમ કાઢી નાખવો એમ જાણવું એનું નામ ધર્મ.

એટલે હંમેશાં સનરાઈઝ (સૂર્યોદય) થવાનો, સનસેટ (સૂર્યાસ્ત) થવાનો, એવો દુનિયાનો નિયમ. તે આ કર્મના ઉદય તે પૈસા વધ્યા જ કરે એની મેળે. બધી બાજુનું, ગાડીઓ-બાડીઓ, મકાનો વધ્યા કરે બધું. પણ જ્યારે ચેન્જ થયા કરે પછી વીખરાયા કરે. પહેલું ભેગું થયા કરે, પછી વીખરાયા કરે. વીખરાતી વખતે શાંતિ રાખવી એ મોટામાં મોટો પુરુષાર્થ ! ત્યાં જીવન કેમ જીવવું એ પુરુષાર્થ છે.

કોઈ નોકર ઑફિસમાંથી દસ હજારનો માલ ચોરી ગયો, ત્યાં કેમ વર્તવું તે પુરુષાર્થ છે. એટલે આ બધું તે ઘડીએ ધૂળધાણી કરી નાખે ને અવતાર બધો બગાડી નાખે !

ભજના, ભગવાનની કે પૈસાની ?

પૈસો તો યાદ આવવો તેય બહુ જોખમ છે, ત્યારે પૈસાની ભજના કરવી એ કેટલું બધું જોખમ હશે ? હું શું કહેવા માગું છું એ આપને સમજાય છે ?

પ્રશ્નકર્તા : એ સમજાયું, પણ એમાં જોખમ શું એ સમજાયું નથી. એમાં તો તરત જ તાત્કાલિક લાભ થાય ને ! પૈસા હોય એટલે બધી વસ્તુઓ આવે. ઠાઠમાઠ, મોટર, બંગલા બધું પ્રાપ્ત થાય છે ને !

દાદાશ્રી : પણ પૈસાની ભજના કોઈ કરતું હશે ?

પ્રશ્નકર્તા : એ જ કરતા હોય છે ને ?

દાદાશ્રી : તો પછી મહાવીરની ભજના બંધ થઈ ને આ ભજના ચાલુ થઈ એમ ને ? માણસ એક જગ્યાએ ભજના કરી શકે, કાં તો પૈસાની ભજના કરી શકે ને કાં તો આત્માની. બે જગ્યાએ એક માણસનો ઉપયોગ રહે નહીં. બે જગ્યાએ ઉપયોગ શી રીતે રહે ? એક જ જગ્યાએ ઉપયોગ રહે, તે હવે શું થાય ? પણ એટલું સારું છે કે અત્યારે માણસને પૈસા જોડે લઈ જવાની છૂટ આપી છે. આ સારું છે ને ?

પ્રશ્નકર્તા : પૈસા ક્યાં ભેગા લઈ જાય છે ? બધું અહીંયાં મૂકીને તો જાય છે, કંઈ જોડે આવતું નથી.

દાદાશ્રી : એમ ? પણ લોકો જોડે લઈ જાય છે ને ! ના, તમે એ કળા જાણતા નથી (!) એ કળા તો પેલા બ્લડપ્રેશરવાળાને પૂછી જો, કે તેની કળા કેવી છે ! તે તમે જાણો નહીં.

લક્ષ્મીના કેફમાં થાય તિરસ્કાર

પ્રશ્નકર્તા : વધારે પૈસા હોય તો મોહ થઈ જાય એમ ? વધારે પૈસા હોય એ દારૂ જેવું જ છે ને ?

દાદાશ્રી : દરેકનો કેફ ચઢે. જો કેફ ના ચઢતો હોય તો પૈસા વધારે થયેલા હોય તો વાંધો નથી. પણ કેફ ચઢે એટલે દારૂડિયો થયો. પછી ખુમારીમાં ને ખુમારીમાં ભમ્યા કરે લોકો ! લોકોને

(પા.૧૬)

તિરસ્કાર કરે, કે આ ગરીબ છે, આ આમ છે. આ મોટો શ્રીમંત ને લોકોને ગરીબ કહેનારો ! પોતે શ્રીમંત ! માણસને ક્યારે ગરીબી આવે એ કહેવાય નહીં. તમે કહો છો એવું જ, બધો કેફ ચડી જાય. જો તમને ચઢ્યો નથી ને ?

પ્રશ્નકર્તા : ચઢેલો હતો, હવે ઊતરી ગયો.

દાદાશ્રી : સારું કર્યું. ડહાપણ કર્યું એટલું. વિચારશીલ છે ને!

ખરું સુખ શેમાં ?

પ્રશ્નકર્તા : અત્યારે પૈસો પ્રધાનપણે છે એ કેમ ?

દાદાશ્રી : માણસને કોઈ જાતની સૂઝ ના પડે ત્યારે માની બેસે કે પૈસાથી સુખ મળશે. એ દ્રઢ થઈ જાય છે, તે માને કે પૈસાથી વિષયો મળશે, બીજુંય મળશે. પણ એનોય વાંક નથી. આ પહેલેથી જ કર્મો એવા કરેલાં, તેના આ ફળ આવ્યા કરે છે.

આ સુખ તો બધું માનેલું સુખ. પૈસા હોય એ સુખ ગણાતું હોય તો પૈસાવાળા તો ઘણા છે બિચારા. એ પણ આપઘાત કરે છે પાછા. જો ધણી સારો હોય તો સુખ હોય. પણ ધણીએ ઘણા સારા છે તોય બઈઓને પાર વગરનું દુઃખ હોય છે. છોકરાં સારા હોય તો સુખ. પણ તેય કશું નથી હોતું.

સુખ શેમાં છે ? આ સ્ટોર્સમાં છે ? આ જનરલ સ્ટોર્સ હોય છે ને, તેની મહીં બધી વસ્તુઓ આપણે જોઈએ. એ બધી વસ્તુઓ સુખવાળી છે નહીં ? બસ્સો એક ડૉલર લઈને પેઠા હોય તો આનંદ આનંદ આવી જાય. આ લીધું ને તે લીધું ને પછી લાવતી વખતે કકળાટ પાછો. ધણીને કહેશે, ‘હું શેમાં ઊંચકી લઉં હવે ?’ ત્યારે ધણી કહેશે, ‘ત્યારે લીધું શું કરવા ?’ ત્યાંય પાછો કકળાટ. ‘નકામી ઘાલ ઘાલ કરું છું ને હવે પછી બૂમો પાડે છે.’ ધણી એવું કહે. એમાં સુખ હોતું હશે ? સ્ટોરવાળાને સુખ ના હોય. એ શું કરવા આખો દહાડો ત્યાં બેસી રહે છે ? તો પૂછવું હોય તો પૂછ હવે. તારા ખુલાસા કરીશ. તારે જેવું સુખ જોઈતું હોય એવું સુખ આપીશ.

તારે જાણવું છે આ બધું અને અંદર શાંતિ કાયમની રહે એવું કરવું છે ? મહીં શાંતિ થઈ ગયા પછી આ તારો ખર્ચો બંધ થઈ જશે, ઓછો થઈ જશે, તો શું કરીશ ? આ સ્ટોરવાળાને ત્યાં ઘરાકી ઓછી થશે. આ સ્ટોરવાળાને શેની ઘરાકી છે ? અશાંતિને લીધે. આ લઉં તો સુખ આવે, આ લઉં તો સુખ આવે, તેને લઈને સ્ટોરવાળાને ત્યાં ઘરાકી છે. આપણા મહાત્માઓને લીધે સ્ટોરવાળાને ત્યાં ઘરાકી નથી રહેતી હવે પછી. કારણ કે નિરાંતે ઘેર જાય. સ્ટોરમાં શું કરવા આવે ? પેલાં તો ભટક ભટક કર્યા કરે.

બળતરામાં ના જડે સાચું સુખ

એકુંય જીવ એવો નહીં હોય કે જે સુખ ના ખોળતો હોય ! અને તેય પાછું કાયમનું સુખ ખોળે છે. એ એમ જાણે છે કે લક્ષ્મીજીમાં સુખ છે, પણ તેમાંય મહીં બળતરા ઊભી થાય છે. બળતરા થવી ને કાયમનું સુખ મળવું, એ કોઈ દહાડો થાય જ નહીં. બન્ને વિરોધાભાસી છે. આમાં લક્ષ્મીજીનો દોષ નથી, એનો પોતાનો જ દોષ છે.

તમને એક કરોડ રૂપિયા આપે તો તમે શું કરો ?

પ્રશ્નકર્તા : એય પાછી ઉપાધિ છે ને !

દાદાશ્રી : આપે તો શું કરો ? આપણે કહીએ, ‘તમને ઉપાધિ છે, તે મને શું કરવા આપો

(પા.૧૭)

છો ? તમારી ઉપાધિ હું ક્યાં રાખું ? તમે પાછી લઈ જાવ !’

અને આ પૈસાથી કેટલો આનંદ થાય છે ! તમને પાંચ લાખ રૂપિયા આપ્યા એટલે પહેલાં તો તમને એ જોઈને બહુ આનંદ થાય. પછી મનમાં ઉપાધિ થાય કે હવે ક્યાં મૂકીશું ? કઈ બેન્કમાં મૂકીશું ? પછી રસ્તામાં કોઈ લૂંટી ના જાય એટલા માટે તૈયારીઓ રાખવી પડે. અને રસ્તામાં કોઈ લઈ લે તો ? એટલે એ બધું સુખ જ ના કહેવાય. લૂંટવાનો ભો છે ને લૂંટાઈ જઈએ એ વસ્તુમાં સુખ જ ના કહેવાય.

જગતની બધી વસ્તુઓ અપ્રિય થઈ પડે અને આત્મા તો પોતાનું સ્વરૂપ, ત્યાં દુઃખ જ ના હોય. જગતને તો પૈસા આપતો હોય તેય અપ્રિય થાય. પૈસા ક્યાં મૂકવા પાછા, તે ઉપાધિ થઈ પડે !

લૌકિક સુખ કરાવે અજંપો

આ લૌકિક સુખ કરતા અલૌકિક સુખ હોવું જોઈએ કે જે સુખમાં આપણને તૃપ્તિ વળે. આ લૌકિક સુખ તો અજંપો વધારે ઊલટો ! જે દહાડે પચાસ હજાર રૂપિયાનો વકરો થાય ને, તે ગણી ગણીને જ મગજ બધું ખલાસ થઈ જાય. મગજ તો એટલું બધું અકળામણવાળું થઈ ગયું હોય કે ખાવા-પીવાનું ગમે નહીં. કારણ કે મારેય વકરો આવતો હતો, તે મેં બધો જોયેલો કે આ મગજમાં કેવું થઈ જતું હતું તે ! આ મારા અનુભવની બહાર નથી ને કંઈ ! હું તો આ સમુદ્રમાંથી તરીને બહાર નીકળ્યો છું, એટલે હું બધું જાણું છું કે તમને શું થતું હશે ? વધારે રૂપિયા આવે ત્યારે વધારે અકળામણ થાય, મગજ ડલ થઈ જાય ને કશું યાદ ના રહે; અજંપો-અજંપો રહ્યા કરે. આ તો નોટો ગણ ગણ ગણ કરે, પણ એ નોટો અહીં ને અહીં રહી ગઈ બધી ને ગણનારા ગયા ! નોટો કહે છે, કે ‘તારે સમજવું હોય તો સમજી લેજે, અમે રહીશું ને તું જઈશ ! માટે આપણે જરાક ચેતવું જોઈએ ને ! બીજું કશું નથી, આપણે એની જોડે કંઈ વેર નથી બાંધવું. પૈસાને આપણે કહીએ, ‘આવો બા.’ એની જરૂર છે ! બધાની જરૂર તો છે ને ? પણ આ તો એની પાછળ જ તન્મયાકાર રહે ! તે ગણનારા ગયા અને પૈસા રહ્યા. છતાં ગણવું પડે, તેય છૂટકો જ નહીં ને ! કો’ક જ શેઠિયો એવો હોય કે મહેતાજીને કહે, કે ‘ભઈ, મને તો ખાતી વખતે અડચણ કરશો નહીં. તમારે પૈસા નિરાંતે ગણીને તિજોરીમાં મૂકવા ને તિજોરીમાંથી લેવા.’ એમાં ડખો ના કરે એવો કો’ક શેઠિયો હોય ! હિન્દુસ્તાનમાં એવા બે-પાંચ શેઠિયાઓ નિર્લેપ રહે એવા હોય ! તે મારા જેવા ! હું કોઈ દહાડો પૈસા ગણું નહીં ! આ શું ડખો ? આ લક્ષ્મીજીને આજે મેં વીસ-વીસ વર્ષથી હાથમાં નથી ઝાલ્યા, તો જ આટલો આનંદ રહે છે ને !

લક્ષ્મીજીય વ્યવહાર છે ત્યાં સુધી જરૂર છે, તેની ના નથી, પણ તેની મહીં તન્મયાકાર ના થવાય. તન્મયાકાર નારાયણમાં થાવ. લક્ષ્મીજી એકલાંની પાછળ પડીએ તો નારાયણ ચીડાયા કરે. લક્ષ્મીનારાયણનું તો મંદિર છે ને ! લક્ષ્મીજી કંઈ જેવી તેવી વસ્તુ છે ?

બન્ને સુખનું બેલેન્સ હોવું ઘટે

ખરી રીતે કુદરતી કાયદો શો છે ? આંતરિક સુખ આમ લેવલમાં રહેવું જોઈએ. આંતરિક સુખ અને બાહ્ય સુખ લેવલમાં રહેવું જોઈએ. વખતે બાહ્યસુખ આમ વધ્યું તો આંતરિક સુખ ઘટ્યું હોય. અને બાહ્યસુખ વધ્યું હોય તો આટલું થયું હોય તો ચાલી શકે, પણ આ તો આમ જ થઈ ગયું છે (એકદમ અપ એન્ડ ડાઉન).

પ્રશ્નકર્તા : એ બહુ મોટો ડિફરન્સ (તફાવત) છે.

(પા.૧૮)

દાદાશ્રી : એટલે આંતરિક સુખ રહ્યું જ નથી બિલકુલ. માણસ મેડ (ગાંડો) થઈ જાય અને બહુ જ બળતરા થાય. આરોપિત ભાવ છે ને, તે બહુ જ બળતરા ઉત્પન્ન થાય.

આ અંગ્રેજોની-અમેરિકનોની પડતી એ રીતે જ છે. ભૌતિક સુખમાં બહુ એબ્નોર્મલ છે. એનાથી બધી પડતી જ છે. (ભૌતિક સુખોમાં) બેસી રહ્યા, તે મગજનું ઠેકાણું નહીં, બ્લડ પ્રેશર વધી ગયેલું હોય, એની મુશ્કેલીઓ એ જ જાણે !

પ્રશ્નકર્તા : એમાં લોભનો અતિરેક નહીં ?

દાદાશ્રી : લોભ ખરો. તે લોભને લઈને તો આ બધું થયું, પણ આ પરિણામ આવ્યું લોભનું ! લોભના અતિરેકથી તો આ પરિણામ આવ્યું.

અનંત અવતારથી ભટક ભટક કરીને આ ભૌતિકની જ પાછળ પડ્યા છીએ. આ ભૌતિકમાં અંતરશાંતિ થાય નહીં. રૂપિયાની પથારી પાથરીએ તો કઈ ઊંઘ આવે ?

પૈસાની પથારી કરીએ તોય કંઈ ઊંઘ આવે નહીં અને એનાથી કંઈ સુખ પડે નહીં; ગમે એટલા પૈસા હોય તોય દુઃખ. એટલે જ્યાં દુઃખ, દુઃખ ને દુઃખ જ છે.

જીવન શેના અર્થે ?

બે અર્થે લોક જીવે છે. આત્માર્થે જીવે તે તો કો’ક જ માણસ હોય. બીજા બધા લક્ષ્મીના અર્થે જીવે છે. આખો દહાડો લક્ષ્મી, લક્ષ્મી ને લક્ષ્મી ! લક્ષ્મીજી પાછળ તો આખું જગતેય ગાંડું થયેલું છે ને ! તોય એમાં સુખ જ નથી કોઈ દહાડોય ! ઘેર બંગલા એમ ને એમ ખાલી હોય ને પંખા ફર્યા કરે, એ બપોરે કારખાનામાં હોય. ભોગવવાનું તો રામ તારી માયા ! એટલે આત્મજ્ઞાન જાણો ! પોતાના સ્વરૂપ ભણી દ્રષ્ટિ જ ગઈ નથી. પોતે કોણ, તેની દ્રષ્ટિ કરી નથી. આવું આંધળું ક્યાં સુધી ભટક્યા કરવું ? આ તો પોતાની બધી અનંત શક્તિઓ વેડફાઈ ગઈ !

પ્રશ્નકર્તા : આ પૈસા કમાવવા એ સારું ના લાગે, આ સંસારમાં રહીને આ જે બધી વિટંબણાઓ છે એ ભોગવવાની સારી નહીં લાગે. આવું બધું જ્યારે મનમાં આવે, ત્યારે પછી અધ્યાત્મ તરફ જવાની વૃતિ ઊભી થાય, એ બરાબર ?

દાદાશ્રી : આ સંસાર કડવો લાગે તો પેલું અધ્યાત્મ મીઠું લાગે. આમાં કડવાશપણું લાગે નહીં, ત્યાં સુધી પેલું મીઠું કેમ લાગે ?

પ્રશ્નકર્તા : એ જ વાત છે કે આ કડવું લાગે છે એટલે પછી મીઠા પ્રત્યે જવાય ને !

દાદાશ્રી : હવે કડવું કોને લાગે ? જે પૂર્વે ડેવલપ થતો થતો આવેલો તેને.

પ્રીતિ, લક્ષ્મીની કે નારાયણની ?

આખા જગતે જ લક્ષ્મીને મુખ્ય માની છે ને ! હરેક કામમાં લક્ષ્મી જ મુખ્ય છે, એટલે લક્ષ્મી ઉપર જ વધારે પ્રીતિ છે. લક્ષ્મી ઉપર વધારે પ્રીતિ હોય ત્યાં સુધી ભગવાન ઉપર પ્રીતિ ના થાય. ભગવાન ઉપર પ્રીતિ થાય પછી લક્ષ્મીની પ્રીતિ ઊડી જાય. બેમાંથી એક ઉપર પ્રીતિ બેસે, કાં તો લક્ષ્મી જોડે ને કાં તો નારાયણ જોડે. તમને ઠીક લાગે ત્યાં રહો. લક્ષ્મી રંડાપો આપશે. મંડાવે તે રંડાવે પણ ખરું ! ને નારાયણ મંડાવે નહીં ને રંડાવે પણ નહીં; નિરંતર આનંદમાં રાખે, મુક્તભાવમાં રાખે.

જ્ઞાની પુરુષ પાસે એક વખત દૂંટીએથી હસ્યા ત્યારથી જ મહીં ભગવાન જોડે તાર જોઈન્ટ થઈ ગયો. કારણ કે તમારી મહીં ભગવાન બેઠેલા છે. પણ અમારી મહીં ભગવાન સંપૂર્ણ વ્યક્ત

(પા.૧૯)

થયા છે, જ્યારે તમારામાં વ્યક્ત નથી થયા, બસ એટલું જ છે. પણ શી રીતે વ્યક્ત થાય ? જ્યાં સુધી ભગવાનની સન્મુખ થયા નથી ત્યાં સુધી શી રીતે વ્યક્ત થાય ? તમે ભગવાનની સન્મુખ થયા હતા કોઈ દહાડોય ?

પ્રશ્નકર્તા : આમ તો અમે લક્ષ્મીની સન્મુખ થયા છીએ.

દાદાશ્રી : એ તો આખું જગતેય લક્ષ્મીની સન્મુખ થયું છે ને ! અને તમે શેઠ લક્ષ્મીની સન્મુખ થયા છો કે વિમુખ ?

પ્રશ્નકર્તા : હું તો એનાથી ઉદાસીન છું.

દાદાશ્રી : એમ ? એટલે તમે સન્મુખેય નહીં ને વિમુખેય નહીં એવી રીતે ? ઉદાસીન એ તો બહુ મોટામાં મોટી વસ્તુ છે. લક્ષ્મી આવે તોય ભલે ને ન આવે તોય ભલે !

પૈસાની રુચિ ત્યાં એકાગ્રતા

પરાણે ભગવાનની જોડે પ્રીતિ કરવા જઈએ એમાં શું વળે ? અને રૂપિયા જોડે જુઓ ને, કોઈ કહેતું નથી, તોયે એકાગ્ર એટલો કે તે ઘડીએ બૈરી-છોકરાં બધું ભૂલી જાય !

લક્ષ્મીનો પ્રતાપ કેટલો સુંદર છે, નહીં ? લક્ષ્મી, સોનું બધું એમાં એકમાં જ આવી ગયું. બીજી કોઈ એવી ચીજ છે, બધું ભુલાડી દે એવી ? એકાગ્ર કરાવડાવે એવી ?

પ્રશ્નકર્તા : ખ્યાલ નથી આવતો.

દાદાશ્રી : નહીં ? સ્ત્રી ને લક્ષ્મી. આ બે બધુંય ભુલાડે. ભગવાન તો યાદ જ ના આવવા દે. આ જે તમને થોડા યાદ આવે છે, પણ એકાગ્રતા થાય કેવી રીતે ? ભગવાન ઉપર ભાવ જ નથી ને ! જ્યાં રુચિ ત્યાં એકાગ્રતા. કાયદો કેવો ? રુચિ ત્યાં એકાગ્રતા. રુચિ ના હોય તો એકાગ્રતા કેમ થાય ?

માટે પ્રીતિ પૈસા ઉપર છે. જ્યાં પ્રીતિ હોય ત્યાં એકાગ્રતા રહે જ. ભગવાન ઉપર પ્રીતિ નથી. એટલી જ પ્રીતિ જો ભગવાન ઉપર થાય તો તેમાં એકાગ્રતા રહે.

પ્રશ્નકર્તા : તો પૈસા ઉપરની પ્રીતિ હટાવવી કેવી રીતે ?

દાદાશ્રી : એ તો બેમાંથી શેની કિંમત વધારે છે, એ કિંમત બધા લોકોને પૂછવી કે પૈસાની કિંમત વધારે છે કે ભગવાનની કિંમત વધારે છે ? જેની કિંમત હોય ત્યાં પ્રીતિ કરો. અમારે પૈસાની જરૂર નહીં, કારણ કે અમારે ભગવાનની પ્રીતિ; ચોવીસેય કલાક ભગવાનની જોડે રહેવાનું. એટલે અમને પૈસાની પ્રીતિ ના હોય.

જ્યાં સુધી પૈસામાં ‘ઈન્ટરેસ્ટ’ (રુચિ) હોય ત્યાં સુધી પૈસા-પૈસા કરે અને ભગવાનમાં ‘ઈન્ટરેસ્ટ’ પેઠો એટલે પૈસાનો ‘ઈન્ટરેસ્ટ’ છૂટી જાય. એટલે ‘ઈન્ટરેસ્ટ’ તમારો ફરવો જોઈએ.

હવે ભગવાનમાં ‘ઈન્ટરેસ્ટ’ નથી, એમાં તમારો દોષ નથી. જે વસ્તુ જોઈ ના હોય, તેના પર ‘ઈન્ટરેસ્ટ’ કેવી રીતે બેસે ? આ સાડીને તો આપણે દેખીએ, તેના રંગ-રૂપ દેખીએ એટલે તેના પર ‘ઈન્ટરેસ્ટ’ બેસે જ. પણ ભગવાન તો દેખાય નહીં ને ! ત્યારે એવું કહ્યું, કે ભગવાનના પ્રતિનિધિ એવા જે ‘જ્ઞાની પુરુષ’ છે, ત્યાં તમારો ‘ઈન્ટરેસ્ટ’ બેસાડો. ત્યાં તે બેસી જશે અને એમની ઉપર ‘ઈન્ટરેસ્ટ’ બેઠો, એટલે તે ભગવાનને પહોંચ્યો જાણો.

જ્યાં કષાયો છે ત્યાં ‘ઈન્ટરેસ્ટ’ બેસે તો તે ‘ઈન્ટરેસ્ટ’ કષાયિક બેસે છે. એ કષાયિક પ્રતીતિ છે તે પ્રતીતિ તૂટી જાય પાછી, એટલે રાગથી બેસે ને

(પા.૨૦)

દ્વેષથી છૂટે અને આ ભગવાનના પ્રતિનિધિ ઉપર ‘ઈન્ટરેસ્ટ’ રાગથી બેસે નહીં. એમની પાસે રાગ કરવા જેવું કશું હોય જ નહીં ને !

જ્ઞાનીની સંજ્ઞાથી ચાલો

એટલે આ ભૂલ પ્રિયતાની છે. તમે ત્યાં આગળ પ્રિયતામાં લોકસંજ્ઞાથી ચાલ્યા. લોક શું કહે છે કે ‘પૈસાથી સુખ છે,’ તે એવું તમેય માની લીધું. ભગવાનનું કહેવું ના માન્યું. ભગવાને કહ્યું કે ‘લોકસંજ્ઞામાં સુખ નથી, જ્ઞાનીની સંજ્ઞાથી મોક્ષ છે.’ લોકોએ પૈસામાં સુખ માન્યું, વિષયોમાં સુખ માન્યું અને તમે જો પૈસા અને વિષયોમાં સુખ માનો તો ભગવાનનું કહેલું માનતા નથી. ભગવાને શું કહ્યું કે ‘જ્ઞાનીની સંજ્ઞાથી ચાલજો.’ જ્ઞાનીએ જેમાં સુખ કહ્યું તેમાં વર્તો.

પ્રશ્નકર્તા : જ્ઞાનીએ કહ્યું તેમ વર્તવાનું.

દાદાશ્રી : હા, જ્ઞાનીનો પોતાનો મોક્ષ થઈ ગયેલો હોય અને એ તમને મોક્ષને રસ્તે જ ચઢાવે.

પ્રશ્નકર્તા : ધર્મમાં ને વ્યવહારમાં બધે જ લાગુ પડે ને સુખ રહે એવી ચીજ કઈ ?

દાદાશ્રી : અમારી પાસે સ્વરૂપનું જ્ઞાન લઈ જાય તો તેને બધું સુખવાળું જ થાય. અને જેના અંતરાય હોય ને જ્ઞાન ના લેવું હોય તો એ અમને બધું પૂછી લે ને સમજી લે કે ‘આ સંસાર કેવી રીતે ચાલે છે, આ બધું શું છે,’ તોય એને સુખ રહે.

જીવ માત્ર શું ખોળે છે ? આનંદ ખોળે છે, પણ ઘડીવાર આનંદ મળતો નથી. લગ્નમાં જાય કે નાટકમાં જાય, પણ વળી પાછું દુઃખ આવે છે. જે સુખ પછી દુઃખ આવે એને સુખ કહેવાય જ કેમ ? એ તો મૂર્છાનો આનંદ કહેવાય. સુખ તો ‘પરમેનન્ટ’ હોય. આ તો ‘ટેમ્પરરી’ સુખ છે ને પાછું કલ્પિત છે, માનેલું છે. દરેક આત્મા શું ખોળે છે ? કાયમનું સુખ, શાશ્વત સુખ ખોળે છે. તે ‘આમાંથી આવશે, આમાંથી આવશે, આ લઉં, આમ કરું, બંગલો બંધાવું તો સુખ આવશે, ગાડી લઉં તો સુખ આવશે’ એમ કર્યા કરે છે. પણ કશું સુખ આવતું નથી. ઊલટો વધારે ને વધારે જંજાળોમાં ગૂંચાય છે. સુખ પોતાની મહીં જ છે, આત્મામાં જ છે. એટલે આત્મા પ્રાપ્ત કરે તો સુખ જ પ્રાપ્ત થાય.

રાત્રે સાડા દસ વાગે ઊંઘી ગયા ને કોઈને બસો રૂપિયા ધીર્યા હોય ને વિચાર આવે કે ‘આજે એની મુદત ગઈ, એનું શું થશે ?’ પછી ઊંઘ આવે કે ? તે ઘડીએ સમાધાન થવાનું સાધન જોઈએ કે ના જોઈએ ? સમાધાન હોય તો જ શાંતિ રહે ને ? સમાધાન વગર તો માણસ ‘મેડ’ થઈ જાય કે ‘બ્લડ પ્રેશર’ વધી જાય ને ‘હાર્ટ’ના દર્દ ઊભા થઈ જાય. સમાધાન થાય તો કંઈક જંપ વળે.

ટેમ્પરરી આનંદ - પરમેનન્ટ આનંદ

પ્રશ્નકર્તા : આપે ‘ટેમ્પરરી’ આનંદ કહ્યો ને બીજો ‘પરમેનન્ટ’ આનંદ કહ્યો, પણ એ બેનો ફેર અમે જ્યાં સુધી એ સુખ નથી ભોગવ્યું, ત્યાં સુધી કેવી રીતે ખબર પડે ?

દાદાશ્રી : એની ખબર જ ના પડે. ‘પરમેનન્ટ’ સુખ આવ્યું નથી ત્યાં સુધી આને જ તમે સુખ કહો.

એક છાણમાં રહેનારો કીડો હોય એને ફૂલમાં મૂકીએ તો એ મરી જાય. કારણ કે આ સુખથી ટેવાયેલો છે, પરિચિત છે, એની પ્રકૃતિ જ એવી બંધાઈ ગયેલી છે. અને ફૂલના કીડાને છાણમાં ન ગમે.

લોક કહે કે પૈસામાં સુખ છે, પણ કેટલાક સાધુ મહારાજ એવા હોય છે કે એમને પૈસા આપે તોય એ ના લે. તમે મને આખા જગતનું સોનું

(પા.૨૧)

આપવા આવો તોય હું તે ન લઉં. કારણ કે મારે પૈસામાં સુખ છે જ નહીં. પૈસામાં સુખ હોય તો બધાને તેમાંથી તે લાગવું જોઈએ. જ્યારે આત્માનું સુખ તો બધાને જ લાગે. કારણ કે એ સાચું સુખ છે, સનાતન સુખ છે. એ આનંદ તો કલ્પનામાંય ના આવે એટલો બધો આનંદ છે !

જ્યાં આત્મા-પરમાત્મા સિવાયની બીજી કોઈ વાત ના હોય ત્યાં સાચો આનંદ છે; ત્યાં સંસારની કિંચિત્માત્ર વાત ના હોય કે સંસારમાં શી રીતે ફાયદો થાય, કેવી રીતે ગુણો ઉત્પન્ન થાય. લોકો સદ્ગુણો ઉત્પન્ન કરવા માગે છે. આ ગુણો, સદ્ગુણો, દુર્ગુણો એ બધું અનાત્મ વિભાગ છે અને વિનાશી છે. છતાં લોકોને તેની જરૂર છે. સૌ-સૌની અપેક્ષાએ જુદું જુદું જોઈએ. પણ જેને સંપૂર્ણ વીતરાગ પદ જોઈતું હોય તો આ બધા સદ્ગુણો, દુર્ગુણોથી પર થવું જોઈએ અને ‘પોતે કોણ છે’ એ જાણવું જોઈએ અને એ જાણ્યા પછી આત્મા-પરમાત્માની વાતોમાં જ રહેવું, એનાથી સંપૂર્ણ વીતરાગ દશા ઉત્પન્ન થાય.

પ્રશ્નકર્તા : સાચું સુખ જડતું નથી ને સમય વહ્યો જાય છે.

દાદાશ્રી : સાચું સુખ જોઈતું હોય તો આપણે સાચા બનવું પડે અને સંસારી સુખ જોઈતું હોય તો સંસારી બનવું પડે. સંસારી સુખ પૂરણ-ગલન સ્વભાવનું છે, આવે ને પછી ઊડી જાય, એ દ્વંદ્વવાળું છે. ‘હું કોણ છું’ એ ખ્યાલમાં આવી જાય પછી જ સાચું સુખ કાયમ વર્તે.

સંતોષ ક્યારે રહે ?

પ્રશ્નકર્તા : આ લોકો પૈસા પાછળ પડ્યા છે, તો સંતોષ કેમ નથી રાખતા ?

દાદાશ્રી : આપણને કોઈ કહે કે સંતોષ રાખજો, તો આપણે કહીએ કે ભાઈ, તમે કેમ રાખતા નથી ને મને કહો છો ? વસ્તુસ્થિતિમાં સંતોષ રાખ્યો રહે એવો નથી. તેમાંયે કોઈનો કહેલો રહે એવો નથી. સંતોષ તો જેટલું જ્ઞાન હોય એટલા પ્રમાણમાં એની મેળે સ્વાભાવિક રીતે સંતોષ રહે જ. સંતોષ એ કરવા જેવી ચીજ નથી, એ તો પરિણામ છે. જેવી તમે પરીક્ષા આપી હશે તેવું પરિણામ આવે. એવી રીતે જેટલું જ્ઞાન હશે એટલું પરિણામ સંતોષ રહે. સંતોષ રહે એટલા માટે તો આ લોક આટલી બધી મહેનત કરે છે !

લોભનો પ્રતિપક્ષ શબ્દ છે સંતોષ. પૂર્વભવમાં જ્ઞાન કંઈક થોડુંઘણું સમજ્યો હોય, આત્મજ્ઞાન નહીં પણ જગતનું જ્ઞાન સમજ્યો હોય તેને સંતોષ ઉત્પન્ન થયેલો હોય અને જ્યાં સુધી આ ના સમજ્યો હોય ત્યાં સુધી એને લોભ રહ્યા કરે.

અનંત અવતાર સુધી પોતે ભોગવેલું હોય, તે એનો સંતોષ રહે કે હવે કશી ચીજ જોઈએ નહીં અને ના ભોગવેલું હોય તેને કઈ કઈ જાતના લોભ પેસી જાય ! પછી આ ભોગવું, તે ભોગવું ને ફલાણું ભોગવું રહ્યા કરે.

આ સંતોષ શું છે ? પોતે ભોગવેલું હોય છે પહેલાં, એટલે એનો સંતોષ રહ્યા કરે.

તૃપ્તિથી છીપે લક્ષ્મીની તરસ

સંસારનું ખાઈએ, પીએ, ભોગવીએ તેનાથી સંતોષ થાય, પણ તૃપ્તિ ના થાય. સંતોષમાંથી નવા બીજ નંખાય, પણ તૃપ્તિ થઈ તો તૃષ્ણા ઊભી ના રહે, તૃષ્ણા તૂટી જાય. તૃપ્તિ અને સંતોષમાં ઘણો ફેર છે. સંતોષ તો બધાને થાય, પણ તૃપ્તિ તો કો’કને જ હોય. સંતોષમાં ફરી વિચાર આવે. દૂધપાક પીધા પછી તેનો સંતોષ થાય. પણ ફરી તેની ઈચ્છા રહે, આને સંતોષ કહેવાય. જ્યારે તૃપ્તિ તો ફરી ઈચ્છા જ ના થાય, એનો વિચારેય

(પા.૨૨)

ના આવે. તૃપ્તિવાળાને તો વિષયનો એકુંય વિચાર જ ના આવે. આ તો ગમે તેવા સમજદાર હોય પણ તૃપ્તિ ન હોવાથી વિષયોમાં ફસાઈ પડ્યા છે ! વીતરાગ ભગવાનનું વિજ્ઞાન એ તૃપ્તિ જ લાવનારું છે.

લોકો કહે છે, ‘હું ખાઉં છું.’ અલ્યા, ભૂખ લાગી છે તેને ઓલવે છે ને ? આ પાણીની તરસ સારી, પણ લક્ષ્મીની તરસ ભયંકર કહેવાય ! એની તૃપ્તિ ગમે તેવા પાણીથી ના છીપે. આ ઈચ્છા પૂરી થાય જ નહીં. સંતોષ થાય પણ તૃપ્તિ ના થાય.

સાધનોમાં તૃપ્તિ માનવી એ મનોવિજ્ઞાન છે, ને સાધ્યમાં તૃપ્તિ માનવી એ આત્મવિજ્ઞાન છે.

અક્રમ વિજ્ઞાન જ છોડાવશે

પ્રશ્નકર્તા : આપણા મહાત્માઓને એવા ભાવ રહેવા જોઈએ ને કે આ ધંધામાંથી છુટાય ?

દાદાશ્રી : એ એવા ભાવ નહીં રહેતા હોય તોય છે તે આ અક્રમ વિજ્ઞાન જ એના ભાવ છોડાવશે. જો એવા ભાવ રહેતા હોય તો ઉત્તમ જ છે. એવા ભાવ રહેતા હોય તો આપણે અક્રમની રાહ નહીં જોવી જોઈએ અને એવા ભાવ ના રહેતા હોય તો આપણે એની ચિંતા કરવા જેવી નહીં. અક્રમ એને ધક્કો મારીને છોડાવી દે. એ તાવ ચઢ્યો કે પેલાને છોડવાની તૈયારી ચોતરફથી કરાવે.

ધંધાની બાબતમાં, ધંધામાં સિન્સિયર રહેવાનું, પણ ચીકાશ નહીં. થશે હવે, હવે તો ‘વ્યવસ્થિત.’ ‘મોડું થશે તો કશો વાંધો નહીં’ એવું ના હોવું જોઈએ. ‘વ્યવસ્થિત’ છે, મોડું થશે, તો શું વાંધો છે ? આ શબ્દો ના હોવા જોઈએ. ત્યાંય સિન્સિયારિટી જોઈએ.

પ્રશ્નકર્તા : ધનનો સંગ્રહ કરે એ ચીકાશમાં ગણાય કે નહીં ?

દાદાશ્રી : ના, સંગ્રહ કરવામાં વાંધો નથી. સંગ્રહ તો કરવો જોઈએ. ફેંકી દેવું એનું નામ ચીકણું થયું કહેવાય. સારા ઉપયોગ સિવાય ફેંકી દેવું એ બગડે. સંગ્રહ કરેલું ના બગડે. સંગ્રહ તો કામ લાગશે, તમને હેલ્પ કરશે. પણ ચીકણું ના હોવું જોઈએ, એના પર ! અને સંગ્રહ કરેલું યાદ ના રહેવું જોઈએ. ભલે ને વીસ લાખ હોય. ચીકણું ના કરો, બસ. મને તો ઘી અડે તોય ચીકાશ નહીં. જે રેડો તે ચીકાશ નહીં. ઘણાની જીભ એવી હોય છે કે તેના પર ઘી મૂકો તોય જીભ ચીકણી ના થાય અને ઘણાને તો દૂધ પીએ તોય જીભ ચીકણી થઈ જાય. જીભમાં એવી કેપેસિટી હોય છે કે ગમે તેવી ચીકાશને ઉડાવી મૂકે છે. એવું આમાંય કંઈક કેપેસિટી (ક્ષમતા) હોય છે અને તે તમને ઉત્પન્ન થશે હવે !

રૂપિયા હાથમાં અડવા દેવા ખરા પણ હાથ ચીકણો ના થવા દેવો. હાથ ચીકણો ના થવો જોઈએ.

પ્રશ્નકર્તા : એટલે શું, જરા સમજાવો ને, દાદા.

દાદાશ્રી : આ પૈસા છે એની જોડે અભાવ તો હોય નહીં લોકોને પણ હવે પૈસા ઉપર ભાવ ના બેસી જવો જોઈએ. અભાવ તો હોય નહીં ને ! કોઈ એવા માણસ ના હોય ! અમને એના પર ભાવ-અભાવ બેઉ ના હોય અને તમારો ભાવ બેસી જાય. પૈસો એટલે ભાવ બેસી જાય. કારણ કે અભાવ છે નહીં એટલે પેલી બાજુ બેસી જાય ને, તેય તમારે હવે ડિસ્ચાર્જમાં, ચાર્જમાં નહીં.

કેટલાક માણસ તો કહે કે તમે તમારા હાથે જ મારા પૈસા દાન પેટે સ્વીકારો તો મને આનંદ થશે. તે પછી હું લઈ લઉં, ‘લાવ, બા લાવ.’ હું કંઈ ચીકણો થવા દઉં ત્યારે ને ! ચીકણો થાય તો આ ભાંજગડને !

(પા.૨૩)

લક્ષ્મી તો બાય પ્રોડક્શન

લક્ષ્મી તો બાય પ્રોડક્શન છે, એનું (મેઈન) પ્રોડક્શન ના થાય. એનું જો પ્રોડક્શન થતું હોત તો આપણે કારખાનું કાઢીએ તો પ્રોડક્શનમાં મહીંથી પૈસા મળે; પણ ના, લક્ષ્મી એ તો બાય પ્રોડક્શન છે. જગત આખાને લક્ષ્મીની જરૂર છે. માટે આપણે એવી તે શું મહેનત કરીએ કે પૈસા આપણી પાસે આવે ! એ સમજવાની જરૂર છે. લક્ષ્મી એ બાય પ્રોડક્શન છે. માટે એની મેળે પ્રોડક્શનમાંથી આવશે, સહજ સ્વભાવે આવે એવી છે. ત્યારે લોકોએ લક્ષ્મીના જ કારખાના કાઢ્યા, પ્રોડક્શન જ એને બનાવી દીધું.

આ કાળ કેવો છે ? આ કાળના લોકોને તો અત્યારે ક્યાંથી માલ લઈ આવું, કેમ બીજાનું પડાવી લઉં, શી રીતે ભેળસેળવાળો માલ આપવો, અણહક્કના વિષયોને ભોગવે ને આમાંથી નવરાશ મળે તો બીજું કંઈ ખોળે ને ? આનાથી સુખ કંઈ વધ્યા નહીં. સુખ તો ક્યારે કહેવાય ? મેઈન પ્રોડક્શન કરે તો. આ સંસાર તો બાય પ્રોડક્ટ છે, પૂર્વે કંઈ કરેલું હોય તેનાથી દેહ મળ્યો. ભૌતિક ચીજો મળી, સ્ત્રી મળે, બંગલા મળે. જો મહેનતથી મળતું હોત તો તો મજૂરનેય મળે પણ તેમ નથી. આજના લોકોમાં સમજણફેર થઈ છે. તેથી આ બાય પ્રોડક્શનના કારખાના ખોલ્યા છે. બાય પ્રોડક્શનનું કારખાનું ના ખોલાય.

લક્ષ્મી લક્ષમાં રહેવી ના જોઈએ.

દરેક કામનો હેતુ હોય કે શા હેતુથી આ કામ કરવામાં આવે છે. એમાં ઉચ્ચ હેતુ જો નક્કી કરવામાં આવે, એટલે શું કે આ દવાખાનું કાઢવું છે, એટલે પેશન્ટો કેમ કરીને આરોગ્ય પ્રાપ્ત કરે, કેમ કરીને સુખી થાય, કેમ એ લોકો આનંદમાં આવે, કેમ એમની જીવનશક્તિ વધે, એવો આપણો ઉચ્ચ હેતુ નક્કી કર્યો હોય અને સેવાભાવથી જ એ કામ કરવામાં આવે ત્યારે એનું બાય પ્રોડક્શન કયું ? લક્ષ્મી ! એટલે લક્ષ્મી એ બાય પ્રોડક્ટ છે, એને (મેઈન) પ્રોડક્શન ના માનશો. જગત આખાયે જ લક્ષ્મીને (મેઈન) પ્રોડક્શન કરી, એટલે પછી એને બાય પ્રોડક્શનનો લાભ મળતો નથી. એટલે સેવાભાવ એકલો જ તમે નક્કી કરો તો એના બાય પ્રોડક્શનમાં તો પછી લક્ષ્મી વધારે આવે. એટલે લક્ષ્મીને જો બાય પ્રોડક્ટમાં જ રાખે તો લક્ષ્મી વધારે આવે, પણ આ તો લક્ષ્મીના હેતુ માટે લક્ષ્મીનું કરે છે તેથી લક્ષ્મી આવતી નથી. માટે આ તમને હેતુ કહીએ છીએ કે આ હેતુ ગોઠવો ‘નિરંતર સેવાભાવ.’ તો બાય પ્રોડક્ટ એની મેળે જ આવ્યા કરશે. જેમ બાય પ્રોડક્ટમાં કશી મહેનત કરવી નથી પડતી, ખર્ચો નથી કરવો પડતો, એ ફ્રી ઓફ કોસ્ટ હોય છે, એવું આ લક્ષ્મી પણ ફ્રી ઓફ કોસ્ટ મળે છે. તમારે આવી લક્ષ્મી જોઈએ છે કે ઑનની લક્ષ્મી જોઈએ છે ? ઑનની લક્ષ્મી નથી જોઈતી ? ત્યારે સારું ! આ ફ્રી ઓફ કોસ્ટ મળે એ કેવી સારી ! એટલે સેવાભાવ નક્કી કરો, મનુષ્યમાત્રની સેવા. કારણ કે આપણે દવાખાનું કર્યું એટલે આપણે જે વિદ્યા જાણતા હોય, તે વિદ્યા સેવાભાવમાં વાપરવી, એ જ આપણો હેતુ હોવો જોઈએ. એના ફળરૂપે બીજી વસ્તુઓ ફ્રી ઓફ કોસ્ટ મળ્યા કરે અને પછી લક્ષ્મી તો કોઈ દહાડોય ખૂટે નહીં. અને જે લક્ષ્મી માટે જ કરવા ગયેલા, એમને ખોટ આવેલી. હા, વળી લક્ષ્મી માટે જ કારખાનું કાઢ્યું પછી બાય પ્રોડક્ટ તો રહી જ નહીં ને ! કારણ કે લક્ષ્મી એ જ બાય પ્રોડક્ટ છે, (મેઈન) પ્રોડક્શનનું ! એટલે આપણે (મેઈન) પ્રોડક્શન નક્કી કરવાનું એટલે બાય પ્રોડક્શન ફ્રી ઓફ કોસ્ટ મળ્યા કરે.

બીજું બધું જ પ્રોડક્શન બાય પ્રોડક્ટ હોય છે, એમાં તમારે જોઈતી બધી જ વસ્તુઓ મળ્યા

(પા.૨૪)

કરે અને તે ઈઝિલી મળ્યા કરે. જુઓ ને ! આ (મેઈન) પ્રોડક્શન પૈસાનું કર્યું છે એટલે આજે પૈસા ઈઝિલી મળતા નથી; દોડધામ, રઘવાયા રઘવાયા ફરતા હોય એવા ફરે છે અને મોઢા પર દિવેલ ચોપડીને ફરતા હોય એવા દેખાય ! ઘરનું સુંદર ખાવા-પીવાનું છે, કેવી સગવડ છે, રસ્તા કેવા સરસ છે ! રસ્તા ઉપર ચાલીએ તો પગ ધૂળવાળા ના થાય ! માટે મનુષ્યોની સેવા કરો. મનુષ્યમાં ભગવાન રહેલા છે. ભગવાન મહીં જ બેઠા છે. બહાર ભગવાન ખોળવા જાવ તો તે મળે એવા નથી. તમે મનુષ્યોના ડૉક્ટર છો એટલે તમને મનુષ્યોની સેવા કરવાનું કહું છું. જાનવરોના ડૉક્ટર હોય તો તેમને જાનવરોની સેવા કરવાનું કહું. જાનવરોમાં પણ ભગવાન બેઠા છે, પણ આ મનુષ્યોમાં ભગવાન વિશેષ પ્રગટ થયા છે !

આત્મા પ્રાપ્ત કરવા માટે જે કરવામાં આવે છે તે પ્રોડક્શન છે અને તેને લીધે બાય પ્રોડક્ટ મળે છે ને સંસારમાં બધી જરૂરિયાત પ્રાપ્ત થાય છે. હું મારું એક જ જાતનું પ્રોડક્શન રાખું છું, ‘જગત પરમ શાંતિને પામો અને કેટલાક મોક્ષને પામો.’ મારું આ પ્રોડક્શન અને એનું બાય પ્રોડક્શન મને મળ્યા જ કરે છે. આ ચા-પાણી અમને તમારા કરતાં જુદી જાતના આવે છે, એનું શું કારણ ? તમારા કરતાં મારું પ્રોડક્શન ઊંચી જાતનું છે. એવું તમારું પ્રોડક્શન ઊંચી જાતનું હોય તો બાય પ્રોડક્શન પણ ઊંચી જાતનું આવે.

મેઈન પ્રોડક્શન એટલે મોક્ષનું સાધન ‘જ્ઞાની પુરુષ’ પાસેથી પ્રાપ્ત કરી લે. પછી સંસારનું બાય પ્રોડક્શન તો એની મેળે મફતમાં આવશે જ. બાય પ્રોડક્ટ માટે તો અનંત અવતાર બગાડ્યા, દુર્ધ્યાન કરીને ! એક ફેર મોક્ષ પામી જા તો તોફાન પૂરું થાય !

સમકિતીનો લક્ષ્મીનો વ્યવહાર

પ્રશ્નકર્તા : દાદાના મહાત્માઓની પાસે લક્ષ્મી હોય તો એણે શું કરવું ?

દાદાશ્રી : એનો વાંધો નહીં. તમારે વાંધો નહીં, તમારે (ચંદુભાઈએ) તો લક્ષ્મીનો વ્યવહાર કરવાનો. દાદા તમારે માથે છે. તમારે તો મહીં મુશ્કેલી ઊભી થાય તો અમને પૂછવી, બસ એટલું જ. આ બધું કરવાનું મારે. હું તમને કહું છું ને કે આ બધું કરવાનું મારે. તમારે (શુદ્ધાત્માએ) કશું કરવાનું નહીં. તમારે મારી આજ્ઞામાં રહેવાનું.

બધું આવવાનું, તમારે ફક્ત શું થવાનું કે રૂપિયાની જોડે વ્યવહાર તો કરવો રહ્યો. એ તમારે નથી વ્યવહાર, છતાં કરવો પડે છે એવું રહેવું જોઈએ. નથી કરવા જેવું છતાંય કરવો પડે છે, એમ કહેવું. એમાં શોખીન ના થઈ જવાય એટલું જોજો. ખાવ, પીવો, બધું ખાજો એમ કહું છું.

હવે પૈસો સારે રસ્તે જાય એવું કરવું. સારે રસ્તે એટલે આપણા સિવાય પારકા માટે વાપરવું. અગર તો સારા પુસ્તક છપાવીને આપતા હોય, તો એ લોકોને હિતકારી થાય ને જ્ઞાનદાન કહેવાય. સારે રસ્તે ધર્માદામાં જતો હોય તો જવા દેવો.

તમે પૈસા બધા કમાવામાં નાખો, જ્યારે હું કહું કે અલ્યા, પૈસા વેરી દો અહીંથી. અને હું તો અડું નહીં પૈસા. પૈસા એ સત્ય નથી, સંપૂર્ણ સત્ય નથી. એ સાપેક્ષ સત્ય છે. આ સોનું મને આપો તો મારે કામનું જ નહીં. મુંબઈમાં બધી બહેનોએ અછોડા કાઢી આપ્યા તો મેં કહ્યું કે ‘મારે કામનું નહીં. તમારે જો મોહ હોય તો રહેવા દેજો. મારે કંઈ તમારા જોઈતા નથી.’ ત્યારે કહે, ‘ના, અમે આટલો ભાવ કર્યો છે, તે આપી દેવું છે.’ તો મેં કહ્યું કે ‘તો તમારી મરજીની વાત. બાકી અમારે જોઈએ નહીં.’ સીમંધર સ્વામી ભગવાનના મુગટ

(પા.૨૫)

કરવા માટે એનો ભાવ કર્યો છે. તો મેં કહ્યું, ‘આપી દો તમે.’ બાકી અમારે કશું જોઈએ નહીં.

લક્ષ્મીનો પ્રેમ ઘટ્યો તે થયો આત્મા

તમે જે પામવા માગો છો, તે મારી પાસેથી ક્યારે પામો ? મારી નજીક ક્યારે આવી શકાય ? તમારી વહાલામાં વહાલી ચીજ મને અર્પણ કરો ત્યારે. સંસારમાં, વ્યવહારમાં જે વહાલી ચીજ છે તે મને અર્પણ કરો તો નજીક આવી શકાય. તમે તો આ મન-વચન-કાયા મને અર્પણ કર્યા. પણ હજુ એક ચીજ બાકી રહી ગઈ, લક્ષ્મી ! એ તમે અર્પણ કરો તો નજીક આવી શકાય. હવે મારે તો જરૂર ના હોય. એટલે અમને કેમની અર્પણ કરો ? ત્યારે કહે કે એવો કંઈ રસ્તો નીકળે તો અર્પણ કરી શકાય ! એટલે આ ગઈ સાલ તમે લક્ષ્મી આપી ત્યારથી તમારું વધારે ચોંટ્યું એવું તમને લાગે છે ?

પ્રશ્નકર્તા : હા, દાદા.

દાદાશ્રી : આ જ કળા આની, નહીં તો ચોંટે નહીં. છૂટું ને છૂટું જ રહ્યા કરે. હવે આપણે ત્યાં તો પૈસા લેવા માટેનું કશું હતું જ નહીં ને ! આપણે તો લેતા જ ન હતા ને ! ત્યાં સુધી મન છેટું ને છેટું જ રહ્યા કરે. પૈસાની બાબત આવી એટલે ત્યાં ચોંટ્યું હોય મન. નહીં તો મન ત્યાંથી ઊખડી જાય. જ્ઞાની પુરુષ ઉપર લોકોની પ્રીતિ હોય, એટલે જ્ઞાની પુરુષ કહેશે કે તું આમ બહાર નાખી દે (પારકાં માટે વાપર) !

લક્ષ્મી ઉપરનો પ્રેમ ઘટ્યો કે આત્મા થઈ ગયો !

છેલ્લામાં છેલ્લું ‘સ્ટેન્ડ’, હવે જાગો

મને લોક પૂછે કે ‘સમાધિ સુખ ક્યારે વર્તશે ?’ ત્યારે મેં કહ્યું કે ‘જેને કંઈ જ જોઈતું નથી. લોભની ગાંઠ છૂટે ત્યારે.’ લોભની ગાંઠ છૂટે કે પછી સુખ વર્ત્યા કરે. બાકી ગાંઠવાળાને તો કશું સુખ આવતું જ નથી ને ! એટલે ભેલાડો ને, જેટલું ભેલાડશો એટલું તમારું !

અનંત અવતારથી આનું આ જ કરેલું ને ! અને આનાથી જ, લોભથી જ મારે શાંતિ રહે છે એવું એને મનમાં ફિટ થઈ ગયેલું ને ! હવે એ લોભેય કોઈ ફેરો માર ખવડાવે છે. અને હવે આનાથી શાંતિ રહે છે ને સુખ થાય છે. આત્મા થયો ત્યારે પછી પેલો લોભ છૂટતો જાય. અત્યાર સુધી છેલ્લું સ્ટેશન લોભ હતો. હવે છેલ્લું સ્ટેશન આત્મા આવ્યો, એટલે એની મેળે પ્રવૃત્તિ બદલાતી જાય !

આ કાળમાં હજુ કંઈક સમજવા જેવું છે. હવે કાળ એવો આવી રહ્યો છે, કે લગભગ બે-ત્રણ હજાર વર્ષ સુધી સારું ચાલશે. બહુ ઊંચી સ્થિતિ આવશે. ભગવાન મહાવીરના સમય જેવી સ્થિતિ આવશે. માટે તે અરસામાં લાભ ઉઠાવી લો તો કામનું છે. હવે નવેસરથી પરિણતિ ફેરવવી કે હવે જ્ઞાની માટે જ જીવવું છે. બીજું બધું તો આ હિસાબ છે તે તો મળ્યા કરવાનો છે, તમારે કાર્ય કર્યા કરવાનું. તમારું કાર્ય કરવાનું. ફળ તો તેનું મળ્યા જ કરવાનું છે. બીજા બધા ભાવ, બીજી પરિણતિ ફેરવવા જેવી છે. બાકી જોડે લઈ જવાના છો આ બધું ?

પ્રશ્નકર્તા : નહીં.

દાદાશ્રી : ગમે તેટલા રૂપિયા હશે, પણ છેવટે રૂપિયા કંઈ જોડે આવે નહીં. માટે કંઈક કામ કાઢી લો. હવે ફરી મોક્ષમાર્ગ મળે નહીં. પછી એક્યાસી હજાર વર્ષ સુધી મોક્ષમાર્ગેય હાથમાં આવવાનો નથી. આ છેલ્લામાં છેલ્લું ‘સ્ટેન્ડ’ છે, હવે આગળ ‘સ્ટેન્ડ’ નથી.

જય સચ્ચિદાનંદ