‘પોઝિટિવ જુઓ, આનંદમાં રહો’ પ્રઃ ભાગ-૧

સંપાદકીય

અક્રમ વિજ્ઞાન એટલે વ્યવહાર-નિશ્ચય બન્નેનો સમન્વય ધરાવતું ‘અજાયબ વિજ્ઞાન.’ વિજ્ઞાન એટલે અવિરોધાભાસ, સ્વયં ક્રિયાકારી જ્ઞાન, બધેથી તાળા મળે, મહીંથી ચેતવે, જબરજસ્ત આંતરિક પરિવર્તન અપાવે. જ્ઞાની કૃપાથી આપણને નિશ્ચય ધર્મ તો સહજ પ્રાપ્ત થાય છે પણ તે સાથે સંસાર વ્યવહારની આધિ-વ્યાધિ-ઉપાધિમાંય નિરંતર સમાધિ સાથે વ્યવહાર ધર્મને ઊંચો લઈ આવવા જીવન જીવવાની કળાની સમજણ પણ આપે છે.

પ્રસ્તુત અંકમાં આ વર્ષે ૨૦૨૨માં ગુરુપૂર્ણિમા નિમિત્તે મહાત્માઓને પૂજ્યશ્રીનો સંદેશો મળ્યો છે કે ‘પોઝિટિવ જુઓ, આનંદમાં રહો.’ તેના અનુસંધાનમાં આ અંકમાં આપણે પરિસ્થિતિઓ અને વ્યક્તિઓના નેગેટિવ સામે કાયમ પોઝિટિવ રહી શકાય એવા પરમ પૂજ્ય દાદાશ્રીના સોનેરી આપ્તસૂત્રો અને સૂત્રોના અનુસંધાનમાં વાણી અત્રે સંકલિત થઈ છે. જો પોઝિટિવ અહંકારમાં હોય તો પોતે સુખી થાય અને બીજાને સુખ આપી શકે, જ્યારે નેગેટિવ અહંકારમાં પોતે દુઃખી થાય અને બીજાને પણ દુઃખ આપે અને સુખ-દુઃખ તમામથી મુક્ત થઈને આનંદમાં રહેવું હોય તો આરોપિત ભાવથી મુક્ત થાવ, બસ આ સિદ્ધાંતની વાત છે. ‘પોઝિટિવ જોવાનું અને આનંદમાં રહેવાનું.’ હવે આ આનંદમાં કોણ નથી રાખતું ? આપણી ડિસ્ચાર્જ વિપરીત બુદ્ધિ.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે આપણા મહાત્માઓ તો જીવતા-જાગતા દેવ છે, આપણે કોઈના અવગુણ ના જોવાય. જોવા હોય તો ગુણો જોવાના. દરેક વ્યક્તિમાં શક્તિ અને ખોડ જુદી જુદી હોય છે, પણ તેથી કોઈ પણ વ્યક્તિ નકામા નથી, તેઓ શું કરી શકે તે આપણે શોધી કાઢવાનું છે. આપણે સો નેગેટિવમાંથી એક પોઝિટિવ શોધીને આનંદમાં રહેવા જેવું છે. દાદાશ્રી હંમેશાં કહેતા કે હું કોઈનીય બુદ્ધિ ના જોઉં, હું તો લોકોની સમજ જોઉં. સામા જોડે કામ લેતા શીખો. પહેલાની રીત ફેરવો, સબ્સ્ટિટ્યુટ ખોળો, પોઝિટિવ જુઓ, તેની જોડે આનંદથી રહો અને બધાને આનંદમાં રાખો. અક્રમ વિજ્ઞાન એટલે નેગેટિવ પોલિસી નહીં, ફક્ત પોઝિટિવ પોલિસી.

પોઝિટિવ માણસ તો કેવા હોય ? આ અગરબત્તી હોય તેને સળગાવીએ તો અહીં આખી રૂમમાં સુગંધી આવે. પોતે બળે પણ બીજાને સુગંધ આપે. અને આપણે એ રીતે જીવીએ તો આપણો આ અચિંત્ય ચિંતામણિ એવો મનુષ્ય દેહ સાર્થક થાય. દાદા ભગવાનને એક માત્ર પ્રાર્થના છે કે અમ સહુને ખૂટતી શક્તિઓ પૂરજો, જીવનમાં કાયમ પોઝિટિવ રહેવાય ને નેગેટિવ ઊભા થાય તો જાગ્રત થઈ પાછા ફરાય. હવે જીવનમાં ‘રિયલમાં શુદ્ધાત્મા દ્રષ્ટિ અને રિલેટિવમાં પોઝિટિવ દ્રષ્ટિ’ કેળવવી છે. પાંચ આજ્ઞા સાથે જીવન જીવવાની કળામાં ગોઠવવું છે કે ‘પોઝિટિવ જુઓ, આનંદમાં રહો.’ આ સૂત્ર વ્યવહારમાં પ્રેક્ટિકલી ગોઠવી અક્રમ માર્ગે નિશ્ચય-વ્યવહારમાં પ્રગતિ સધાય અને પોતાના આત્માનો આનંદ અનુભવાતો જાય એ જ હૃદયપૂર્વક અભ્યર્થના.

~ જય સચ્ચિદાનંદ.

‘પોઝિટિવ જુઓ, આનંદમાં રહો’ પ્રઃ ભાગ-૧

(પા.૪)

(સૂત્ર - ૧)

આ સંસારમાં દુઃખ છે તે તો એમ ને એમ પડી જાય તેમ છે, પણ લોકો તેને આધાર આપે છે. ‘નેચર’ની વિરુદ્ધ ચાલે છે તેના જ બધા દુઃખો છે ! ‘નેચર’ બધું ‘એડજસ્ટ’ કરે છે પણ પોતે ‘નેચર’ની વિરુદ્ધ ‘અહંકાર’ કરે છે !

પ્રશ્નકર્તા : દાદા, એવું સમજાવનાર કોઈ મળ્યા નહીં.

દાદાશ્રી : જે ના જાણવાનું તે જાણ્યા કરે છે ને જાણવાનું જાણતા નથી. પૈસા હોય તોય દુઃખ, ના હોય તોય દુઃખ, શેઠિયો થયો તોય દુઃખ ને ગરીબ હોય તોય દુઃખ ! (બધાને) દુઃખ, દુઃખ ને દુઃખ. એનું શું કારણ હશે ?

પ્રશ્નકર્તા : સંસારમાં ઘણા દુઃખો છે, એનો રસ્તો તો હોવો જોઈએ ને ?

દાદાશ્રી : એવું છે ને, કે પહેલું તો દુઃખની વ્યાખ્યા હોવી જોઈએ કે દુઃખ કોને કહેવાય ? આ લોકો વ્યાખ્યા વગર ગમે તેને દુઃખ જ કહે છે. મોટો બંગલાવાળો હોય એને ત્યાંય દુઃખ, બે મિલોવાળાને ત્યાંય દુઃખ, પેલા બાવાઓને દુઃખ, સાધુઓનેય દુઃખ, પૈણેલીનેય દુઃખ, રાંડેલીનેય દુઃખ, સાત ભાયડાવાળીનેય દુઃખ, તો કોને દુઃખ નથી તે ? એટલે આ દુઃખ એ તો બધી ખોટી માન્યતાઓ છે. આ બધા સમજણ વગરના દુઃખો છે ! આ દુનિયામાં દુઃખ જે છે તે અણસમજણના જ છે. એટલે હું શું કહું છું કે અણસમજણ કાઢી નાખો અને આપણે સમજણપૂર્વક જીવો તો જગતમાં દુઃખ છે જ નહીં !

હવે ખરેખર એમને દુખિયા કોણ કહે ? પણ એ પોતાની જાતે માની બેઠા છે. એ જ્યાં સુધી માને છે કે હું આવો દુઃખી છું, ત્યાં સુધી દુઃખ જાય નહીં. તમે તમારી મેળે કહો કે હું દુઃખી છું, તો દુઃખ તો શું કહે છે, કે મને કોણ સંભારે છે ? એને ત્યાં હું જાઉં. મારી યાદગીરી રાખે છે, એને ત્યાં મારે જવું પડે. જો અમે યાદગીરી નથી કરતા તો અમારે ત્યાં દુઃખ આવતુંય નથી ને !

એક બેન આવેલી. તે કહે છે, ‘મારું લગ્ન થયું છે, પણ મને એ રસ્તો પસંદ નથી. મને આ ધર્મના રસ્તામાં જ જવાનું વધારે ગમે છે.’ ત્યારે મેં કહ્યું, ‘હા, પણ એ પસંદ નથી એવું કરવાથી શું ફાયદો ?’ ત્યારે એ બેન કહે છે, ‘પસંદ નથી એ તો રહેવાનું જ, પણ ભક્તિ વધારે કરવાની.’ મેં કહ્યું, ‘પસંદ નથી પણ એ રહેવાનું એ વાતની તો ખાત્રી છે ને ?’ ત્યારે એ બેન કહે છે, ‘હા.’ મેં કહ્યું કે જે રહેવાનું હોય તે ‘પસંદ નથી’ એવું ના બોલવું. ‘મને બહુ ગમે છે’ મારું લગ્ન થયું એ. ‘મને બહુ ગમે છે’ એવું બોલવામાં શું વાંધો ? આપણે જે જે કસોટીમાં આવ્યા ત્યાં આપણે કહીએ કે ‘બળ્યું, આ દુઃખમાં હું ક્યાં સપડાયો ? આ દુઃખમાં સપડાયો.’ તેનાથી દુઃખ વધે. અને આપણે દુઃખમાં સપડાયા ને ત્યાં આગળ આપણે કહીએ કે ‘ના, અહીં અનુકૂળ છે, સારું અનુકૂળ છે.’ તો અનુકૂળ થાય. માટે પાંસરું બોલવું.

આ જે જે એડજસ્ટમેન્ટ નેચર તમને કરાવે, તેને તમે સારું બોલશો તો તમારો છુટકારો થશે. નહીં તો તમે ખરાબ બોલશો તો તો તમારો છુટકારો નહીં થાય. એટલે આપણે મનમાંથી કાઢી નાખવું કે મને આ સંસારમાં દુઃખ છે કે એવું તેવું કશું છે. જે છે, દેવતા અડ્યો તો દઝાવાશે, બરફ અડ્યો તો ટાઢું લાગશે, એમ અસરો થયા કરવાની. એમાં દેવતાને વગોવ વગોવ કરીને શું ફાયદો કરવાનો છે ? બરફને વખાણ વખાણ કરીએ, તેમાં આપણને લાભ થાય કશો ?

(પા.૫)

પ્રશ્નકર્તા : નહીં.

દાદાશ્રી : ત્યારે દેવતાને વગોવ વગોવ કરીએ તો ? એના કરતા આપણે ભાંજગડ જ મૂકી દો ને !

(સૂત્ર - ૨)

આ જગત આખું દુઃખી છે, માછલા તરફડે એમ તરફડી રહ્યું છે, આ પોતાની મિલો હોવા છતાંય ! માટે સમજવાની જરૂર છે. જીવન જીવવાની કળા જાણવાની જરૂર છે.

ઘરમાં એક તો ક્લેશ ના થવો જોઈએ અને થતો હોય તો વાળી લેવો જોઈએ. જરા થાય એવું હોય, આપણને લાગે કે હમણાં ભડકો થશે તે પહેલાં જરાક પાણી નાખીને ટાઢું કરી દેવું. ક્લેશવાળું જીવન જીવીએ એમાં શું ફાયદો ? ક્લેશવાળું જીવન ના હોવું જોઈએ ને ? શું વહેંચીને લઈ જવાનું છે ? ઘરમાં ભેગું ખાવું, પીવું ને કકળાટ શા કામનો ? તમારો ક્લેશ હોય ને, તો છોકરાંના જીવન પર અસર પડે. કુમળાં છોકરાં, એની પર અસર થાય બધી. એટલે ક્લેશ જવો જોઈએ.

જ્યાં ક્લેશ હોય ત્યાં ભગવાનનો વાસ રહે નહીં. જ્યાં ક્લેશ ન હોય ત્યાં ભગવાનનો વાસ નક્કી છે, એની તમને હું ‘ગેરન્ટી’ આપું છું. ક્લેશ થયો કે ભગવાન જતા રહે.

આપણા ઘરમાં ક્લેશરહિત જીવન જીવવું જોઈએ, એટલી તો આપણને આવડત આવડવી જોઈએ.

પ્રશ્નકર્તા : ક્લેશ થવાનું મૂળ કારણ શું ?

દાદાશ્રી : ભયંકર અજ્ઞાનતા ! એને સંસારમાં જીવતાં નથી આવડતું. દીકરાના બાપ થતાં નથી આવડતું, વહુના ધણી થતાં નથી આવડતું. જીવન જીવવાની કળા જ આવડતી નથી ! આ તો છતે સુખે સુખ ભોગવી શકતા નથી. આ જગત આખું દુઃખી છે, માછલા તરફડે એમ તરફડી રહ્યું છે, આ પોતાની મિલો હોવા છતાંય ! માટે સમજવાની જરૂર છે.

જીવન જીવવાની કળા જાણવાની જરૂર છે. જીવન જીવવાની કળા તો હોય જ ને ! કંઈ બધાને મોક્ષ હોતો નથી, પણ જીવન જીવવાની કળા તો હોવી જોઈએ ને ? ભલે મોહ કરો પણ મોહ ઉપર જીવન જીવવાની કળા તો જાણો, કે કઈ રીતે જીવન જીવવું ! સુખને માટે ભટકે છે ને, તો સુખ ક્લેશમાં હોય ખરું ? ક્લેશ તો ઊલટું સુખમાંય દુઃખ લાવે છે. ભટકે છે સુખ માટે અને લાવે છે દુઃખ. જીવન જીવવાની કળા હોય તોય દુઃખ ના લાવે, દુઃખ હોય ને તો એને બહાર કાઢે.

પ્રશ્નકર્તા : કોઈ પણ વસ્તુના પરિણામને સારી રીતે લેવાની એ મનની ભૂમિકા ન ગણાય ?

દાદાશ્રી : પોઝિટિવ લેવું તે મનની ભૂમિકા. પણ તોય જ્ઞાન હોય તો જ પોઝિટિવ લે, નહીં તો નેગેટિવ જ જુઓ ને !

(સૂત્ર - ૩)

આ જગતમાં હંમેશાં ‘પોઝિટિવ’ લો. ‘નેગેટિવ’ તરફ ચાલશો નહીં. ‘પોઝિટિવ’નો ઉપાય થશે.

પ્રશ્નકર્તા : આપણે ગમે તેટલું કરીએ, પણ સામો ના સુધરે તો શું કરવું ?

દાદાશ્રી : પોતે સુધર્યા નથી ને લોકોને સુધારવા ગયા. તેનાથી લોક ઊલટા બગડ્યા. સુધારવા જાય કે બગડે. પોતે જ બગડેલો હોય તો શું થાય ? આપણે સુધરવું સહેલામાં સહેલું છે ! આપણે સુધર્યા ના હોઈએ ને બીજાને સુધારવા જઈએ, એ ‘મીનિંગલેસ’ (અર્થહીન) છે. ત્યાં સુધી આપણા શબ્દ પણ પાછા પડે. તમે કહો કે ‘આવું ના કરીશ.’ ત્યારે સામો કહે કે ‘જાવ, અમે તો

(પા.૬)

એવું જ કરવાના !’ આ તો સામો ઊલટો વધારે અવળો ફર્યો !

અહંકારથી સામાને દબડાવીને કામ કરાવવા જઈએ, તો સામો વધારે બગડે. આમાં અહંકારની જરૂર જ નથી. જ્યાં અહંકાર નથી, ત્યાં તેને બધા કાયમ ‘સિન્સિઅર’ (સંનિષ્ઠ) હોય, ત્યાં ‘મોરાલિટી’ (નૈતિકતા) હોય. સાચો માણસ ‘હું સાચો છું’ કરીને બધાને બહુ દુઃખ આપે. એટલે એને અહંકાર ઘવાયો તેનું દુઃખ છે.

આપણો અહંકાર ના હોવો જોઈએ. અહંકાર બધાને ખૂંચે છે. નાના છોકરાનેય જરાક ‘અક્કલ વગરનો’, ‘મૂરખ’, ‘ગધેડો’ એમ જો કહ્યું તો તેય વાંકો ફાટે ને ‘બાબા, તું બહુ ડાહ્યો છે’ કહીએ કે તરત એ માની જાય.

પ્રશ્નકર્તા : અને એને ‘બહુ ડાહ્યો’ કહીએ તોય એ બગડશે ?

દાદાશ્રી : ‘મૂરખ’ કહીએ તોય બગડી જાય ને ‘બહુ ડાહ્યો’ (એવું વધારે પડતું) કહીએ તોય બગડી જાય. કારણ કે ‘ડાહ્યો’ કહીએ એટલે એના અહંકારને ‘એન્કરેજમેન્ટ’ (પ્રોત્સાહન) મળી જાય અને ‘મૂરખ’ કહો તો ‘સાયકોલોજિકલ ઈફેક્ટ’ (માનસિક અસર) અવળી પડે. ડાહ્યા માણસને ૨૫-૫૦ વખત ‘મૂરખ’ કહો તો તેના મનમાં વહેમ પડી જશે કે ‘ખરેખર શું હું ગાંડો હોઈશ ?’ એમ કરતો કરતો એ ગાંડો થઈ જાય. એટલે હું ગાંડાનેય ‘તારા જેવો ડાહ્યો આ જગતમાં કોઈ નથી’ એમ કરી કરીને ‘એન્કરેજમેન્ટ’ આપું છું. આ જગતમાં હંમેશાં ‘પોઝિટિવ’ લો, ‘નેગેટિવ’ તરફ ચાલશો નહીં. ‘પોઝિટિવ’નો ઉપાય થશે. હું તમને ‘ડાહ્યો’ કહું ને જો વધારે પડતો અહંકાર તમારો ખસ્યો, તો મને તમને થાપોટ મારતાય આવડે, નહીં તો એ અવળે રસ્તે ચાલે અને એને ‘એન્કરેજ’ (પ્રોત્સાહિત) ના કરીએ તો એ આગળ વધેય નહીં.

‘અહંકાર નુકસાનકર્તા છે’ એવું જાણી લો, ત્યારથી જ બધું કામ સરળ થાય. અહંકારનું રક્ષણ કરવા જેવું નથી. અહંકાર પોતે જ રક્ષણ કરી લે એવો છે. આ અહંકાર ના હોત તો દુનિયા આવી ગાંડી ના હોત. અહંકારને લઈને દુઃખો છે. કામ કર્યે જાવ તેનો વાંધો નથી, પણ અહંકાર નકામા તોફાનો માંડે છે.

(સૂત્ર - ૪)

કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય એવો અહંકાર હોવો જોઈએ, એ ‘પોઝિટિવ’ અહંકાર.

પોતાનું સહેજ અપમાન થઈ ગયું હોય તે મનમાં વેર રાખે ને ફોજદારને જઈને કહી આવે કે ‘પેલાએ ઘરમાં તેલના ડબ્બા ભર્યા છે.’ અલ્યા, તારું વેર છે એટલા માટે આ કર્યું ? એને શું કરવા ફોજદારને પકડાવ્યો ? વેર વાળવા માટે ! આ નેગેટિવ અહંકાર.

નેગેટિવ અહંકાર બહુ બુરો અહંકાર કહેવાય. કો’કને જેલમાં ઘલાવવા ફરે છે ત્યાંથી જ પોતાને જેલ ઊભી થઈ ગઈ ! આપણે કેવું હોવું ઘટે કે નિમિત્ત તો જે આવે તે જમે કરી દેવું જોઈએ. કારણ કે આપણી આગળની ભૂલો છે, એટલે આપણને કોઈ ગાળ ભાંડે તો આપણે જમે કરી લેવી. જમે કરી અને ફરી એની જોડે વેપાર કરવો નહીં. જો તમને સામી ગાળ પોષાતી હોય તો વેપાર ચાલુ રાખવો અને સામી બીજી બે આપવી, પણ જો સામી ગાળ ના પોષાતી હોય તો આપણે એની જોડે વેપાર બંધ કરી દેવો.

વ્યવહાર એવો બદલો કે આપણે આપીને લેવાનું છે. એટલે પાછો આપવા આવે તે ઘડીએ જો પોસાતું હોય તો આપો.

આપણને લાગતું હોય કે ‘આવો સાહેબ, આવો સાહેબ’ કહીએ ને તેના પડઘા સારા પડતા

(પા.૭)

હોય તો તેવું કરો. ‘આપ્તવાણી-૧’માં લખ્યું છે, તેમ વાવમાં પ્રોજેક્ટ કરવાનું. વાવમાં જઈને કહેવું કે ‘તું ચોર છે’ તો એ સામું કહેશે કે ‘તું ચોર છે’ અને જો તને આવું ના ગમતું હોય, તો તું બોલ ને કે ‘તું રાજા છે, તું રાજા છે.’ તો એય બોલશે કે ‘તું રાજા છે, તું રાજા છે.’ એવું આ જગત છે ! આપણે વાવમાં જઈને કહીએ કે ‘તું ચૌદ લોકનો નાથ છે.’ તો તે પણ આપણને કહે કે ‘તું ચૌદ લોકનો નાથ છે.’ માટે આમાં આપણને જેવું ગમે છે તે બોલવું. એવું ‘પ્રોજેક્ટ’ કરો કે તમને ગમે. આ બધું તમારું જ પ્રોજેક્શન છે. આમાં ભગવાને કંઈ ડખલ કરી નથી.

દુનિયામાં કોઈને ‘અક્કલ વગરનો’ કહેશો નહીં, અક્કલવાળો જ કહેજો. તું ડાહ્યો છે, એવું જ કહેશો તો તમારું કામ થશે. એક માણસ એની ભેંસને કહેતો હતો કે ‘તું બહુ ડાહી છે બા, બહુ અક્કલવાળી છો, સમજણવાળી છો.’ મેં એને પૂછયું, ‘ભેંસને તું આમ કેમ કહે છે ?’ ત્યારે એણે કહ્યું કે ‘આવું ના કહું તો ભેંસ દૂધ દેવાનું જ બંધ કરી દે.’ ભેંસ જો આવું સમજે છે તો માણસો શું ના સમજે ?

શોર્ટ કટમાં કહેવું હોય તો જો સાંસારિક સુખો જોઈતા હોય તો એ ઈગોઈઝમનો પોઝિટિવ ઉપયોગ કર, એમાં નેગેટિવ ના ઘાલીશ અને તને દુઃખ જ ખપતા હોય તો નેગેટિવ અહંકાર રાખજે અને સુખ-દુઃખ મિક્ષ્ચર ખપતું હોય તો બેઉ ભેળું કર ! અને જો તારે મોક્ષે જ જવું હોય તો આરોપિત ભાવથી મુક્ત થા, સ્વભાવ-ભાવમાં આવી જા !

આટલા ત્રણ વાક્યો ઉપર આખું વર્લ્ડ ચાલી રહ્યું છે. આ ત્રણ વાક્યો સમજી જા અને તે પ્રમાણે કરવા માંડ તો બધા જ ધર્મો એમાં આવી ગયા !

(સૂત્ર - ૫)

સંસારમાં પોઝિટિવ વિચારોને પેસવા દો તો નેગેટિવને પેસવાનું રહ્યું જ નહીં. તેય પણ ઘણું ઉત્તમ કહેવાય. એ ચાળી ચાળીને કામ કરો ને તોય બહુ ઉત્તમ. હવે સારા વિચાર એટલે શું ? પોઝિટિવ વિચારો. કોઈને દુઃખ ન થાય એવો વિચાર આવવો જોઈએ.

પ્રશ્નકર્તા : બેન કહે છે કે હંમેશાં સામેથી જ નેગેટિવ એપ્રોચ હોય, ત્યાં આપણે પોઝિટિવ કેવી રીતે રહેવાનું ? સામો આપણી જોડે નેગેટિવ જ હોય, એ નેગેટિવ ચાર્જ હોય તો આપણે એને પોઝિટિવ ચાર્જ કેવી રીતે થવાનું ?

દાદાશ્રી : આપણે છે તે નક્કી કરવાનું કે આપણે આ પલીતો ચાંપવો નથી. તો ગમે એટલું દારૂખાનું ખરાબ હોય તોય એ ફૂટે નહીં. વખતે કોઈ ચાંપી ગયો હોય ને ફૂટી જાય તો એ જુદી વસ્તુ છે. પણ આપણે ચાંપવો નથી એમ નક્કી કરીએ એટલે પછી રાગે પડે. આપણે એડજસ્ટ થવું જોઈએ. પૈણેલા એટલે આ એટલા વર્ષનો કોન્ટ્રાક્ટ છે ને ? કોન્ટ્રાક્ટ નહીં ? એ કંઈ હજાર વરસનો છે ? પાંચ-પચાસ વર્ષ, જેટલા જીવ્યા એટલાનો કોન્ટ્રાક્ટ. એ કોન્ટ્રાક્ટ આપણે પૂરો કરવો જોઈએ.

વિચારો જરા ખરાબ થતા હોય ને એને ભૂંસી નાખો ને નવા સારા વિચારોને જન્મ આપવો. હવે સારા વિચાર એટલે શું ? પોઝિટિવ વિચારો. કોઈને દુઃખ ન થાય એવો વિચાર આવવો જોઈએ. સારા વિચાર, પોઝિટિવ વિચાર ખાસ આવવા દેવા. સારો યુગ આવી રહ્યો છે. એનો લાભ ઉઠાવો. વિચાર ઉપર આધાર રાખે છે. ખરાબ વિચાર આવે ને તો નેગેટિવ થાય. આ ભઈએ તમને અપમાન કર્યું, એટલે તમને શું થાય ? ખરાબ વિચાર આવે. તે આવતા હોય તેને ભેગા કરી અને પછી એક જગ્યાએ દાટી અને પછી ભગવાનની પાસે માફી માગવી કે ‘આમને માટે ખરાબ વિચાર આવ્યો તેની બદલ માફી માગું છું.’ એવું જો દસ-પંદર

(પા.૮)

વરસ કરો તો આ સત્યુગનો સરસ લાભ મળી જશે. વાંધો આવે એ કરવામાં ?

પ્રશ્નકર્તા : ના વાંધો આવે.

દાદાશ્રી : અને સારા વિચાર તો બહુ. જાણીજોઈને બેસી બેસીને સારા જ વિચાર કરવા કે ‘કેમ કરીને લોકોનું સારું થાય, કેમ કરીને લોકોનું ભલું થાય, મારા પાડોશીઓ કેમ કરીને સુખી થાય ?’ એવી જ ભાવના કરો. કોઈ જીવને દુઃખ ન થાય, એવી ભાવના હોવી જોઈએ. આ સુખ શેનાથી મળે છે ? ત્યારે કહે, ‘તમે જો કોઈ પણ જીવને સુખ આપો તો એનું ફળરૂપે તમને સુખ મળશે અને દુઃખ આપશો તો દુઃખ મળશે. માટે સુખ-દુઃખ જેવું આપશો એવું મળશે.’ એટલે કોઈ દુઃખ આપી જાય તો આપણે જમે કરી લેવું, પણ ફરી ધીરવું નહીં.

(સૂત્ર - ૬)

‘હા’થી મુક્તિ અને ‘ના’થી બંધન. ‘ના’ શબ્દ તો કાઢી નાખજો ડિક્ષનરીમાંથી. એ ‘ના’થી જ આ જગત ઊભું રહ્યું છે.

પ્રશ્નકર્તા : દાદા, આખો દિવસ કામ કરીને તમે આવ્યા હો અને સાંજે ખાવાનું ના મળે, બરોબર ભૂખ લાગી હોય તો શું કરો તમે ?

દાદાશ્રી : ‘ભોગવે એની ભૂલ.’

પ્રશ્નકર્તા : બેઉ બાજુથી માર પડે ને !

દાદાશ્રી : બેઉ બાજુ માર જ છે, આ જગત ખોટું છે બધું. તમારો હિસાબ આવીને હાજર રહેશે. તમે ના કહેશો તોય ટેબલ ઉપર હશે. તમે કહો, આ બધું ના બનાવશો. તોય એ હાજર થયા કરે. મારે કેટલી ચીજ હાજર થાય છે ! તે મારે પણ ના પાડ-પાડ કરવી પડે છે. આ કહેશે, ‘રસ લાવું, કેરી લાવું.’ અલ્યા ભઈ, મારે નથી જરૂર આની ! કેટલી બધી ચીજો હાજર કરે. તેમાં પણ મને તો જરૂર ના હોય. મને શું ચીજ હાજર નહીં કરતા હોય લોકો ? તમને શું લાગે છે ? જમતી વખતે, બધી વખતે શું હાજર નહીં કરતા હોય લોકો ? તે અમારે જરૂર નહીં કોઈ જાતની. તેમ તિરસ્કારેય નહીં. તમે મૂક્યું તો જરાક કકડો લઈ લઈએ. તમે બહુ કહો તો ના ખાવું હોય તોય કકડો લઈ લઈએ. તમે કડવું આપો તોય પી લઈએ. થોડું પીઈએ. આપણે તો એડજસ્ટ થઈ જવું જોઈએ.

પ્રશ્નકર્તા : દાદા, આ તમે જે વાત કરી કે તમને કડવું આપ્યું હોય તોય તમે થોડુંક લઈ લો. હવે અમને કડવું ના ભાવતું હોય તો કેમનું લઈએ ? એટલે પેલું જે લાઈકીંગ ઉપર જાય એની વાત કરીએ છીએ હવે આપણે.

દાદાશ્રી : પણ ‘ના’ શબ્દ તો કાઢી નાખજો ડિક્ષનરીમાંથી. એ ‘ના’થી જ આ જગત ઊભું રહ્યું છે. ના કહેવાથી જ લોકો છે તે ક્લેઈમ માંડે છે. ‘હા’ લાવો. પછી મોઢામાં મૂકીને ‘થું’ કર્યું હોય તોય થાય, વાંધો નહીં ! પણ એને ઈન્સલ્ટ (અપમાનિત) નહીં કરો. અમે તો કેટલાક ફેરા, કહે કે ‘દાદા પ્રસાદ લો’, તે લઈ લઉં અને મગફળીને એ હોય તો ગજવામાં મૂકું. તે પછી પાછું બહાર નીકળું ત્યારે કોઈકને આપી દઉં, પણ ઈન્સલ્ટ નહીં કરવાનું. કારણ કે ‘વ્યવસ્થિત’ના આધારે એ તો મને કહ્યું કે લ્યો.

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : અને તમે તો ડખો કર્યા વગર રહો નહીં. ડખો નહીં કરો. વ્યવસ્થિત છે આ બધું જગત. જે બને છે એ વ્યવસ્થિત. થાય છે એ વ્યવસ્થિત. વ્યવસ્થિત નથી લાગતું ?

પ્રશ્નકર્તા : વ્યવસ્થિત છે.

દાદાશ્રી : અને કરે છે એય ‘વ્યવસ્થિત’ છે. કોને વઢશો ? છોકરાને, વહુને ? કોઈને વઢવા

(પા.૯)

જેવું જગત છે ? અમે તો ક્લિઅર કટ બધી જોગ્રોફી આપી છે, બિલકુલ ક્લિઅર કટ. જેમ જેમ ક્લિઅરન્સ સમજાતું જશે, તેમ તેમ ઓર આનંદ ને ઓર વાત સમજાશે.

પ્રશ્નકર્તા : પેલું આપ કહો છો ને કે હંમેશાં પોઝિટિવ બોલો, નેગેટિવ ના બોલશો. પોઝિટિવ રહો, નેગેટિવ ના બોલશો. તો કહે એવું કેવી રીતે બને એમ ? પોઝિટિવ જ બોલાય એ કેવી રીતે બને ? નેગેટિવ બોલી જવાય છે.

દાદાશ્રી : ‘હા’થી મુક્તિ અને ‘ના’થી બંધન. પોઝિટિવ ‘હા’ અને ‘ના’ નેગેટિવ. જેને ‘એડજસ્ટ’ થવાની કળા આવડી એ દુનિયામાંથી મોક્ષ તરફ વળ્યો. ‘એડજસ્ટમેન્ટ’ થયું એનું નામ જ્ઞાન. જે ‘એડજસ્ટમેન્ટ’ શીખી ગયો તે તરી ગયો. ભોગવવાનું છે તે તો ભોગવવાનું જ છે, પણ ‘એડજસ્ટમેન્ટ’ આવડે એને વાંધો ના આવે, હિસાબ ચોખ્ખો થઈ જાય. સુવાળાં જોડે તો સહુ કોઈ ‘એડજસ્ટ’ થાય પણ વાંકા-કઠણ-કડક જોડે, બધા જ જોડે ‘એડજસ્ટ’ થતાં આવડ્યું તો કામ થઈ ગયું. મુખ્ય વસ્તુ ‘એડજસ્ટમેન્ટ’ છે. ‘હા’થી મુક્તિ છે. આપણે ‘હા’ કહ્યું તો પણ ‘વ્યવસ્થિત’ની બહાર કાંઈ થવાનું છે ? પણ ‘ના’ કહ્યું તો મહા ઉપાધિ !

(સૂત્ર - ૭)

આ તો પોઝિટિવમાં માણસ જ ક્યાં છે ? નેગેટિવ સાઈડમાં પડ્યો છે અત્યારે તો. પોઝિટિવ તો માણસ જ ક્યાં છે ? પોઝિટિવ માણસ કેવા હોય ? તે આ અગરબત્તી હોય તે આપણે સળગાવીએ તો અહીં આખી રૂમમાં સુગંધી આવે કે ના આવે ? એ પોતે બળે પણ બધાને સુગંધ આપે કે ના આપે ? આ મનુષ્યો સુગંધી આપે છે ખરા ?

પ્રશ્નકર્તા : પોઝિટિવ કેવી રીતે રહેવું ?

દાદાશ્રી : છોકરાંઓ બાબતે શું કરવાથી નેગેટિવ રહેવાય છે એ મને કહો ને !

પ્રશ્નકર્તા : છોકરાં કંઈક કરતા હોય, કંઈક ઊંધું કરતા હોય, તો આપણે એને કહેવું પડે કે તું આ કરે છે એ ખોટું છે. તો એ ત્યાં આગળ આપણે એને નેગેટિવ બતાવવું પડે.

દાદાશ્રી : હા, બતાવવાનું પણ તે આપણા શબ્દો સ્વીકાર કરે તો.

પ્રશ્નકર્તા : એનો અર્થ કે આપણને બોલતા આવડવું જોઈએ.

દાદાશ્રી : બોલતા સરસ વાણી નીકળવી જોઈએ. મીઠી, પ્રેમવાળી ! તમને હું જવાબ આપું જ છું ને ! પણ પ્રેમથી જવાબ આપું છું. તે સ્વીકાર થાય અંદરથી. અને અમારી વાણી તો આત્મભેદક હોય એટલે આત્માને ઠેઠ પકડી લે. આત્માની મહીં ઊતરીને ઠેઠ સુધી પહોંચાડે.

પ્રશ્નકર્તા : બહુ પ્રેમથી કહીએ તોય નથી સાંભળતા.

દાદાશ્રી : ના સાંભળે તો એ બચ્ચાં છે ને ! અને એ નથી કરતો ખરેખર, એની પ્રકૃતિ કરે છે. પણ એને ખબર જ નથી બિચારાને.

પ્રકૃતિની બહાર કોઈ માણસ ચાલતો નથી. ‘આપણે’ તો ‘જાણનાર’ છીએ. એટલે એ તો તોફાન-બોફાન કરવાના. તોફાન ના કરે ને, તે છોકરાં ડાહ્યા ના થાય આગળ. થોડું કકરું તો જોઈએ ને છોકરું, તો આગળ જતા સુંવાળું થાય પછી મોટી ઉંમરમાં. અને અત્યારે સુંવાળું હોય ને, તે આગળ જતા બગડી જાય. એટલે એ છોકરું ઊંધે રસ્તે હોય, ચોરી-બોરી કરતું હોય તો આપણે એને વઢીએ. એ ચોરી કરે છે ને, એ એની ઈચ્છા ના હોય તોય કરે. એટલે આપણે એને જો કહીએ, કે ‘આ ચોરી કરવાનું તને ગમે

(પા.૧૦)

છે ?’ ત્યારે કહે, ‘નથી ગમતું, પણ શું કરું ?’ એવું બોલે કે ના બોલે ?

પ્રશ્નકર્તા : હં.

દાદાશ્રી : અત્યાર છે તો આપણે એને વઢ- વઢ કરીએ ને માર-માર કરીએ તો પછી એ નક્કી જ કરે કે ના, હું કરવાનો જ. જાવ ત્યારે. તે એ મનમાં, મોઢે ના બોલે. મનમાં નક્કી કરે એવું ?

પ્રશ્નકર્તા : કરે.

દાદાશ્રી : આડો થઈ જાય ?

પ્રશ્નકર્તા : થાય ને !

દાદાશ્રી : એટલે એના કરતા આપણે એને બેસાડીને, ‘જો ચોરી કરવાથી આવું આવું થાય. તે જેલમાં લઈ જાય, મારે, આમ થાય, તેમ થાય.’ એવી એને સમજણ પાડ પાડ કરવી. વઢવું ને મારવું તેના કરતા આવું એને શિખવાડવું, એટલે એ હવે ફરી નહીં કરું એવો પસ્તાવો કરે. છતાં ફરી થઈ જાય, એના સો પડ હોય તો. એટલે પાછો ફરી પસ્તાવો કરાવવાનો. આડો થઈ ગયો કે નકામો જશે. બહુ એ કરીએ તો આડો થઈ જાય કે ના થઈ જાય ? તમને લાગે છે માણસ આડો થાય, બહુ એ કરીએ તો ?

પ્રશ્નકર્તા : હા, અનુભવમાં છે.

દાદાશ્રી : ‘જાવ, થાય એ કરજો, હું કરી લઈશ,’ કહેશે, અંદર મનમાં ને મનમાં ! જો મોઢે બોલે તો મારે, મૂઓ ! એટલે સમભાવે નિકાલ કરવાનો ફાઈલોનો.

એક શબ્દ એવો ના બોલીશ કે કોઈનેય કિંચિત્માત્ર દુઃખરૂપ થઈ પડે. સુખરૂપ થઈ પડે એવું બોલ. એટલે રાઈટ સાઈડ (સાચી બાજુના)ના શબ્દો બોલ અને લેફ્ટ સાઈડ (ખોટી બાજુના)ના શબ્દો ના હોવા જોઈએ.

પહેલું આ દુનિયામાં છે તે નેગેટિવ ખલાસ કરવાનું છે. નેગેટિવને નેગેટિવ ઓળખી અને ખલાસ કરવાનું છે.

પરિણામ પ્રેમથી (વ્યવહાર) કર્યા સિવાય આવે નહીં. એક છોડવો ઊછેરવો હોય ને, તોય તમે પ્રેમથી ઊછેરો, તો બહુ સારો ઊછરે. પણ એમ ને એમ પાણી રેડો ને બૂમાબૂમ કરો, તો કશું ના થાય. તમે કહો કે ઓહોહો ! સરસ થયો છોડવો. તે એને સારું લાગે છે ! એય સરસ ફૂલાં આપે મોટાં મોટાં ! તો પછી આ મનુષ્યોને તો કેટલી બધી અસર થતી હશે !

આ એક ગુલાબનું ફૂલ દેખીએ છીએ તોય કહે, સરસ ગુલાબ છે ! અને આ મનુષ્ય દેખાય તો (એને) ગમે નહીં ! એક અગરબત્તી અહીં સળગતી હોય તો આખા રૂમને સુગંધી આપે અને આ મનુષ્યો ગંધાય, મૂઆ ! કઈ જાતના લોક છો તમે ? ગંધાય. બહાર કોઈની સુગંધ જ નથી આવતી, નહીં તો પચ્ચીસ-પચ્ચીસ માઈલના એરિયા (વિસ્તાર) સુધી સુગંધ ફેલાય. ના ફેલાય સુગંધ ? આ અગરબત્તીની સુગંધ ફેલાય છે, તો માણસની ફેલાય કે ના ફેલાય ? તે વડોદરા શહેરમાં તું રહું છું, તે કોની સુગંધ ફેલાયેલી દેખાઈ ? મૂઆ આવ્યા ને મરી ગયા, આવ્યા ને મરી ગયા. વખતે કૂતરાંય ખાય-પીને મરી જાય છે, એમાં તેં શું કર્યું તે ? મનુષ્યપણું ખોયું ! મનખો નકામો ગયો. મનખો એટલે બહુ કિંમતી. અચિંત્ય ચિંતામણિ દેહ, મનુષ્ય કહેવાય.

(સૂત્ર - ૮)

કોઈનાય અવગુણ ના જોવાય. જોવા હોય તો પોતાના જુઓ ને ! આ તો બીજાની ભૂલો જોઈએ તો મગજ કેવું થઈ જાય છે ! એના કરતાં બીજાના ગુણો જોઈએ તો મગજ કેવું ખુશ થઈ જાય છે !

આ જગતમાં જે થાય તે પ્રકૃતિના ગુણોથી

(પા.૧૧)

થાય છે, આત્માના ગુણોથી નથી થતું. માટે દરેકે પ્રકૃતિના ગુણોને ઓળખી લેવા જોઈએ. પ્રકૃતિના દોષથી સામેવાળો દોષિત લાગે. આપણે પોતે પ્રકૃતિ ગુણોને જ જોવાના. એથી શું થાય કે ‘પેલા’ દોષોને જાડા થવાનો અવકાશ જ ના મળે.

અમારે આટલા બધા હજારો મહાત્માઓ છે છતાં કેમ બધા સાથે ફાવે છે ? કારણ કે બધી પ્રકૃતિઓ ઓળખીએ. એના કાંટાને અમે ના અડીએ; અમે તો એના ફૂલોને જ જોઈએ !

ગુલાબની જો ચંપો ભૂલ કાઢે કે ‘તારામાં કાંટા છે, તારામાં ભલીવાર નથી’, તો ગુલાબ એને કહેત કે ‘તું તો ઠૈડા જેવો દેખાય છે’ ને ઝઘડો થઈ જાય. અને જો બગીચામાં આ પ્રકૃતિઓ બોલતી હોત તો આખા બગીચામાં વઢંવઢા થઈ જાય. તેમ આ સંસાર બગીચો જ છે. આ પ્રકૃતિ બોલે છે તેથી બીજાની ભૂલ કાઢીને વઢંવઢા થઈ જાય છે.

મનુષ્યની પ્રકૃતિ જાતજાતની હોય છે. પહેલાં સત્યુગમાં ઘરના બધા ગુલાબ જેવા હોય. અત્યારે તો એક મોગરો, એક ચંપો, એક ગુલાબ એવું જુદું જુદું આ કળિયુગમાં ભેગું થાય ! બધી જુદી જુદી પ્રકૃતિ ભેળી થાય. આ નાના-મોટાં બધા ભેગા થઈ જાય તેમ. તેમાં આ બાપને થાય કે મારા જેવા બધા ગુલાબ થાય. પણ જો ચંપો થાય તો બાપ કહેશે કે ના ચાલે, બધા ગુલાબ જ જોઈએ. અલ્યા, આ પ્રકૃતિનો બગીચો તો જો ! બધા જ ગુલાબ થાય તો તો બગીચો શી રીતે કહેવાય ? એ તો ગુલાબનું ખેતર કહેવાય ! તારે બગીચો ખીલવવો છે કે ખેતર ?

કળિયુગમાં બાપ ઝીણો હોય, મા ઝીણી હોય ને છોકરો લાફો હોય તો મા-બાપ છોકરાને લાફો કહે. અલ્યા, જરા ધીરજ તો રાખ. આ લાફાપણાની પ્રકૃતિને ફૂલાં આવશે. આ ‘દાદા’ની દ્રષ્ટિ મળી જાય તો પ્રકૃતિભેદ ના પડે ને વઢવાડો ના થાય. દરેક પ્રકૃતિને ફૂલ આવશે. માટે રાહ જુઓ. આ તો લોક શું કરે કે ગુલાબને ફૂલ આવ્યા હોય ને ચંપાને ના આવ્યા હોય તો ચંપાનો દાંડો કાપી નાખે. પણ ધીરજ રાખે તો ફૂલ સૂંઘવા મળે. આ ગુલાબનો છોડ જુએ અને ફૂલ ના જુએ તો કહે કે આ કાંટાળો છોડ છે, માટે ઉખેડી નાખો. ના અલ્યા, આ કાંટા છે માટે એની સામે બીજા કોઈ સારા ગુણ હશે, એવો કુદરતમાં નિયમ છે. તેથી રાહ જુઓ, ધીરજથી જુઓ. તે કાંટાળા છોડમાં ગુલાબ નીકળશે.

એક બાપ એના છોકરાને મારતો હતો. અલ્યા, ના મરાય. જો ઠપકો આપીએ અને જો એ સાંભળે એવો હોય તો ઠપકો અપાય. નહીં તો કળિયુગમાં ઠપકો આપીએ તો છોકરાં અવળે રસ્તે ચઢી જાય. એને તો વાળવાના પ્રયત્ન કરાય.

આપણામાં ભલીવાર હશે તો ‘હાથીયા થોરમાંય પ્રગટે સુવાસ.’ આ પ્રકૃતિ એક બાજુ રાશી હોય તો બીજી બાજુ ઊંચી હોય એવું છે.

આ તો એવું છે ને કે બેન્ડમાં એકલો રામ ઢોલ જ હોય તો એને બેન્ડ કેમ કહેવાય ? એમાં તો એક રામ ઢોલ, એક પીપૂડીવાળો, એક વાજાવાળો એમ બધા જુદા જુદા વગાડનારા જોઈએ. તો જ તે બેન્ડ ખીલે. ક્યારે કઈ પ્રકૃતિને કેવા ફૂલ આવે એ કહેવાય નહીં. માટે ધીરજ ધરવી પડે.

બધામાં શક્તિ જુદી જુદી હોય ને ખોડ પણ જુદી જુદી હોય. આ સત્યુગમાં કેવું હતું કે ઘરમાં એક તીખી પ્રકૃતિનો હોય તો ઘરના બધા જ તીખા હોય. અત્યારે કળિયુગમાં એક તીખો, બીજો ખાટો, તો ત્રીજો વળી કડવો એમ જુદી જુદી પ્રકૃતિના માણસો હોય, તેથી એડજસ્ટમેન્ટ જ ના થાય. આ ધણી વહેલો ઊઠે અને બૈરી મોડી ઊઠે, તે પછી સવારના પહોરમાં કકળાટ ઊભો થાય. તે

(પા.૧૨)

આવી રીતે સંસાર ખારો કરી મૂકે. પણ જો પ્રકૃતિને એડજસ્ટ થતાં આવડી જાય તો કામ થઈ જાય.

દોષો તો બધાની ગટરો છે. તે ગટરને ઊઘાડવી જ નહીં. કોઈનામાં અમુક દોષ હોય, કોઈ ચિઢાતો હોય, કોઈ રઘવાયો ફરતો હોય, તે જોવું તે ગટર ઉઘાડી કહેવાય. એના કરતાં ગુણો જોવા તે સારું. ગટર તો આપણી પોતાની જ જોવા જેવી છે. પાણી ભરાઈ ગયું હોય તો પોતાની ગટર સાફ કરવી. આ તો ગટર ભરાઈ જાય છે પણ સમજાતું નથી.

કોઈનું જરાક અવળું બોલ્યો કે તેટલું નુકસાન થયું જ. આ બહારની ગટરોનું ઢાંકણ કોઈ ઉઘાડતું નથી, પણ લોકોની ગટરના ઢાંકણ ઉઘાડ ઉઘાડ કરે છે.

કોઈનાય અવગુણ ના જોવાય. જોવા હોય તો પોતાના જુઓ ને ! આ તો બીજાની ભૂલો જોઈએ તો મગજ કેવું થઈ જાય છે ! એના કરતાં બીજાના ગુણો જોઈએ તો મગજ કેવું ખુશ થઈ જાય !

(સૂત્ર - ૯)

કોઈ પ્રાકૃતિક પુષ્પ નકામું નથી, પણ તે શું કામનું છે તે શોધી કાઢવાનું છે.

એક ભાઈ હતા. તે રાત્રે બે વાગે શું શું કરીને ઘેર આવતા હશે તેનું વર્ણન કરવા જેવું નથી. તમે જાણી જાઓ. તે પછી ઘરમાં બધાએ નિશ્ચય કર્યો કે આમને વઢવું કે ઘરમાં પેસવા ના દેવા, શો ઉપાય કરવો ? તે તેનો અનુભવ કરી આવ્યા. મોટાભાઈ કહેવા ગયા તો એ મોટાભાઈને કહે કે ‘તમને માર્યા વગર છોડીશ નહીં.’ પછી ઘરના બધા મને પૂછવા આવ્યા કે ‘આનું શું કરવું ? આ તો આવું બોલે છે.’ ત્યારે મેં ઘરનાંને કહી દીધું કે કોઈએ તેને અક્ષરેય કહેવાનું નહીં.તમે બોલશો તો એ વધારે ફ્રંટ થઈ જશે, અને ઘરમાં પેસવા નહીં દો તો એ બહારવટું કરશે. એને જ્યારે આવવું હોય ત્યારે આવે ને જ્યારે જવું હોય ત્યારે જાય. આપણે રાઈટેય નહીં બોલવાનું ને રોંગેય નહીં બોલવાનું, રાગેય નહીં રાખવાનો ને દ્વેષેય નહીં રાખવાનો, સમતા રાખવાની, કરુણા રાખવાની. તે ત્રણ-ચાર વર્ષ પછી એ ભાઈ સરસ થઈ ગયો ! આજે એ ભાઈ ધંધામાં બહુ મદદરૂપ થાય છે ! જગત ના કામનું નથી, પણ કામ લેતા આવડવું જોઈએ. બધા જ ભગવાન છે, અને દરેક જુદા જુદા કામ લઈને બેઠા છે, માટે ના ગમતું રાખશો નહીં.

કોઈ પ્રાકૃતિક પુષ્પ નકામું નથી, પણ તે શું કામનું છે તે શોધી કાઢવાનું છે. તને વેઢમી બનાવતા નથી આવડતી, આ નથી આવડતું, તે નથી આવડતું, એમ કહ્યા કરવાનું નથી પણ તેને શું આવડે છે, તેની ખોજ કરો.

એટલે તમારે ઘરમાંય કોઈને વઢવું-કરવું નહિ. અહંકાર કોઈનો ના દુભાય તેમ રાખવું. અહંકાર કોઈનો દુભાવવો ના જોઈએ. અહંકાર દુભાય તો જુદો પડી જાય માણસ, પછી ફરી ભેગા ના થાય. આપણે એવું કોઈને ના કહેવું જોઈએ. ‘તું યુઝલેસ છે, તું આમ છે, તેમ છે’ એવું ઉતારી ના પાડવું જોઈએ. હા, વઢીએ ખરા. વઢવામાં વાંધો નથી, પણ જે તે રસ્તે અહંકાર ના દુભાવવો જોઈએ. એના અહંકાર ઉપર ના વાગવું જોઈએ.

(સૂત્ર - ૧૦)

સામાની ટીકા કરો તો તેની આરાધનાની ટીકા કરી કહેવાય. તે ભયંકર ગુનો છે. તમે સામાને ટેકો ના આપી શકો તો કાંઈ નહીં, પણ ટીકા તો ના જ કરો. જો ટીકા છે તો વીતરાગનું વિજ્ઞાન નથી, ત્યાં ધર્મ છે જ નહીં, અભેદતા છે જ નહીં !

(પા.૧૩)

પ્રશ્નકર્તા : કોઈ નવો સત્સંગી આવ્યો હોય, એની સાથે આપ વાત કરતા હો, બધા બેઠા હોય, તે વખતે એ કંઈ જવાબ આપે ને, તો પછી હસવું આવે.

દાદાશ્રી : એ વખતે હસવું આવે એ સ્વાભાવિક છે પણ પછી એની ટીકા ના હોય.

પ્રશ્નકર્તા : ટીકા ના હોય એમાં, પણ હસવું આવે.

દાદાશ્રી : હસવું એ તો રોગ છે એક જાતનો, હાસ્ય નામનો. પણ તે પછી એવી ટીકા ના હોવી જોઈએ.

પ્રશ્નકર્તા : દાદા, પેલા હાસ્ય પાછળ પોતાનો આશય એ હોય છે કે એ ડફોળ છે. કશું જાણતો નથી ને અમે બહુ જાણી ગયા છીએ.

દાદાશ્રી : ના, એવું હસવું જોઈએ નહીં. જે ટીકા કરે છે તે તો એમ કહે છે કે ‘હું હાજર છું.’ તે પોતાના સ્વભાવનું પ્રદર્શન કરે છે. આજ તો લોક તમારી ટીકા હઉ કરે. ‘પોતે શું કરી રહ્યા છે !’ તેનું ભાન નથી બિચારાને, એટલે એવું કર્યા કરે છે. દુઃખવાળો જ કોઈની ટીકા કરે, દુઃખવાળો કો’કને સળી કરે. સુખિયો માણસ કોઈની ટીકા કરે નહીં.

પ્રશ્નકર્તા : આપ્તસૂત્રમાં લખ્યું છે કે ‘‘આપણી ટીકા કરવાનો લોકોને અધિકાર છે. આપણને કોઈની ટીકા કરવાનો અધિકાર નથી.’’ તો નિંદા અને ટીકામાં ફેર ?

દાદાશ્રી : ટીકા એટલે શું કે એના પ્રત્યક્ષ દેખાતા દોષો, તે ઓપન કરવા, એનું નામ ટીકા કહેવાય. અને નિંદા એટલે દેખાતા-ના દેખાતા બધું ગા ગા કર્યા કરે. એનું અવળું જ બોલ બોલ કરવું, એનું નામ નિંદા. આ વાતાવરણમાં બધા પરમાણુઓ ભરેલા છે. તેથી તો આપણે કહીએ છીએ કે કોઈની નિંદા ના કરીશ.

સામાને પહોંચી જાય બધું. કશો એક શબ્દ પણ કોઈના માટે બેજવાબદારીવાળો ના બોલાય. અને બોલવું હોય તો કંઈક સારું બોલ, કીર્તિ બોલ. અપકીર્તિ ના બોલીશ.

નિંદા કરવામાં આપણને શો ફાયદો ? એમાં તો બહુ નુકસાન છે. જબરજસ્ત નુકસાન જો કદી આ જગતમાં હોય તો નિંદા કરવામાં છે. એટલે કોઈનીય નિંદા કરવાનું કારણ ના હોવું જોઈએ.

કોઈને ‘ખોટું’ કહ્યું, તે પોતાના આત્મા ઉપર ધૂળ નાખ્યા બરાબર છે.

સામાની ટીકા કરો તો તેની આરાધનાની ટીકા કરી કહેવાય. તે ભયંકર ગુનો છે. તમે સામાને ટેકો ના આપી શકો તો કાંઈ નહીં, પણ ટીકા તો ના જ કરો. જો ટીકા છે તો વીતરાગનું વિજ્ઞાન નથી, ત્યાં ધર્મ છે જ નહીં, અભેદતા છે જ નહીં ! ટીકા બધી રીતે બાધક છે. નવરાશ જ ના હોવી જોઈએ ટીકા કરવાની.

પ્રશ્નકર્તા : ટીકા કરનાર જીવને આપણા કામમાં કંઈ રસ પડ્યો હોય ત્યારે જ ટીકા કરે.

દાદાશ્રી : હવે ટીકા એ શું છે કે એ હંમેશા હરિફાઈમાં, રેસકોર્સમાં હોય છે. ટીકા ખાસ કરીને ક્યાં વપરાય છે ? હરિફાઈમાં, રેસકોર્સમાં. હું મોટો ને પેલો છોટો. આ ટીકા એ તો અહંકારનો મૂળ ગુણ છે. એ સ્પર્ધાનો ગુણ છે એટલે ટીકા તો રહેવાની જ. અને સ્પર્ધા વગર સંસારમાં રહેવાય નહીં. એ સ્પર્ધા જાય એટલે છુટકારો થઈ ગયો.

ટીકા કરવાથી પહેલાં આપણા કપડાં બગડે છે, બીજી ટીકાથી દેહ બગડે છે અને ત્રીજી ટીકાથી હૃદય બગડે છે. બસ, એટલું જ ! માટે કોઈનામાં ઊંડા ના ઊતરો. કારણ કે એ તો પોતે પોતાનો માલિક છે ને ! એના માલિકી ‘ટાઈટલ’

(પા.૧૪)

એના પોતાના છે. આપણાથી એની કેમ કરીને ટીકા કરાય ? નહીં તો પછી આપણે ‘ટ્રેસપાસર’ (અતિક્રમણ કરનાર) કહેવાઈએ !

કોઈનીય ટીકા કરવી એટલે આપણી દસ રૂપિયાની નોટ વટાવીને એક રૂપિયો લાવવો તે. ટીકા કરનાર હંમેશા પોતાનું જ ગુમાવે છે. જેમાં કશું જ વળે નહીં. તે મહેનત આપણે ના કરવી. ટીકાથી તમારી જ શક્તિઓ વેડફાય છે. આપણને જો દેખાયું કે આ તલ નથી પણ રેતી જ છે, તો પછી તેને પીલવાની મહેનત શું કામ કરવી ? ‘ટાઈમ એન્ડ એનર્જી’ (સમય અને શક્તિ) બંને ‘વેસ્ટ’ (નકામા) જાય છે. આ તો ટીકા કરીને સામાનો મેલ ધોઈ આપ્યો ને તારું પોતાનું કપડું મેલું કર્યું ! તે હવે ક્યારે ધોઈશ ?

કોઈની સહેજ પણ ટીકા કરવા જતાં એ ‘કેવળજ્ઞાન’ને બાધક છે. અરે, આત્મજ્ઞાનનેય બાધક છે, સમકિતનેય બાધક છે.

(સૂત્ર - ૧૧)

પોતાની જવાબદારીઓનું ભાન નથી. માટે બેજવાબદારીવાળું બોલશો નહીં, બેજવાબદારીવાળું વર્તન કરશો નહીં, બેજવાબદારીવાળું કશું જ કરશો નહીં. બધું પોઝિટિવ લેજો. કોઈનું સારું કરવું હોય તો કરવા જજો, નહીં તો બૂરામાં પડશો જ નહીં.‘પોઝિટિવ’ રહેજો. જગતમાં ‘પોઝિટિવ’ જ સુખ આપશે અને ‘નેગેટિવ’ બધું દુઃખ આપશે.

પ્રશ્નકર્તા : કષાય વગરની આપના જેવી પોઝિટિવ વાણી અમારી ક્યારે થશે ?

દાદાશ્રી : આ નેગેટિવ શબ્દો બધા જે છે તમારા, એ બોલવાના બંધ થશે ત્યારે. કારણ કે દરેક શબ્દ એના ગુણ-પર્યાય સહિત હોય છે.

મહીં આત્મા છે, આત્માની હાજરી છે. માટે હંમેશાં પોઝિટિવ બોલો. પોઝિટિવમાં નેગેટિવ ના બોલાય. પોઝિટિવ થયું, એમાં નેગેટિવ બોલીએ એ ગુનો છે અને પોઝિટિવમાં નેગેટિવ બોલે છે, એટલે આ બધી મુશ્કેલી ઊભી થાય છે. ‘કાંઈ જ બગડ્યું નથી’ એમ બોલતાની સાથે મહીં કેટલોય ફેરફાર થઈ જાય ! માટે પોઝિટિવ બોલો.

આ ટેપરેકર્ડ ને ટ્રાન્સમીટર એવા એવા તો કેટલાય સાધનો અત્યારે થયા છે. તે મોટા મોટા માણસોને ભય લાગ્યા જ કરે કે કોઈ કંઈ ઉતારી લેશે તો ? હવે આમાં તો શબ્દો ટેપ થાય એટલું જ છે. પણ આ મનુષ્યનું બોડી, મન બધું જ ટેપ થાય એવું છે. એનો લોકો જરાય ભય રાખતા નથી. જો સામો ઊંઘમાં હોય ને તમે કહો કે ‘આ નાલાયક છે.’ તો તે પેલાને મહીં ટેપ થઈ ગયું ! એ પછી પેલાને ફળ આપે. એટલે ઊંઘતાનુંય ના બોલાય, અક્ષરેય ના બોલાય. કારણ કે બધું ટેપ થઈ જાય, એવી આ મશીનરી છે ! બોલવું હોય તો સારું બોલજો કે ‘સાહેબ, તમે બહુ સારા માણસ છો,’ સારો ભાવ રાખજો, તો એનું ફળ તમને સુખ મળશે. પણ ઊંધું સહેજ પણ બોલ્યા, અંધારામાં પણ બોલ્યા કે એકલા બોલ્યા, તો એનું ફળ કડવું ઝેર જેવું આવશે. આ બધું ટેપ જ થઈ જવાનું. માટે આ ટેપ સારું કરાવો.

પ્રશ્નકર્તા : કડવું તો જોઈતું જ નથી.

દાદાશ્રી : કડવું તો તમને ખપતું હોય તો બોલજો, ખપતું ના હોય તો બોલશો નહીં. કોઈ મારે તોય એને કડવું ના કહેશો. એને કહીએ કે ‘તારો ઉપકાર માનું છું.’

આ કાળમાં કોઈને સમજાવવા જવાય એવું નથી. જો સમજાવતા આવડે તો સારા શબ્દોમાં સમજાવો કે એ ટેપ થાય તોય જવાબદારી ના આવે. માટે ‘પોઝિટિવ’ રહેજો. જગતમાં ‘પોઝિટિવ’ જ સુખ આપશે અને ‘નેગેટિવ’ બધું દુઃખ આપશે. માટે કેટલી બધી જોખમદારી છે ! ન્યાય-અન્યાય

(પા.૧૫)

જોવાવાળો તો બહુ જણને ગાળો ભાંડે. ન્યાય-અન્યાય તો જોવા જેવો જ નથી. ન્યાય-અન્યાય તો એક થર્મોમીટર છે જગતનું કે કોને કેટલો તાવ ઉતરી ગયો ને કેટલો ચઢ્યો ? જગત ક્યારેય ન્યાયી બનવાનું નથી અને અન્યાયીયે થઈ જવાનું નથી. આનો આ જ ભેળસેળ ખીચડો ચાલ્યા જ કરશે.

આ જગત છે ત્યારથી આવું ને આવું જ છે. સતયુગમાં જરા ઓછું બગડેલું વાતાવરણ હોય, અત્યારે વધારે અસર છે. રામચંદ્રજીના વખતમાં સીતાનું હરણ કરી જનારા હતા, તો અત્યારે ના હોય ? આ ચાલ્યા જ કરવાનું. આ મશીનરી એવી જ છે પહેલેથી. એને ગમ પડતી નથી, પોતાની જવાબદારીઓનું ભાન નથી. માટે બેજવાબદારીવાળું બોલશો નહીં, બેજવાબદારીવાળું વર્તન કરશો નહીં, બેજવાબદારીવાળું કશું જ કરશો નહીં. બધું પોઝિટિવ લેજો. કોઈનું સારું કરવું હોય તો કરવા જજો. નહીં તો બૂરામાં પડશો જ નહી ને બૂરું વિચારશો નહીં. બૂરું સાંભળશોય નહીં કોઈનું. બહુ જોખમદારી છે. નહીં તો આવડું મોટું જગત, એમાં મોક્ષ તો પોતાની મહીં જ પડ્યો છે ને જડતો નથી ને કેટલાય અવતારથી ભટક ભટક કરે છે !

સામાન્ય વ્યવહારમાં બોલવાનો વાંધો નથી, પણ દેહધારી માત્રને માટે કંઈ આડુંઅવળું બોલાયું તો તે મહીં ટેપરેકર્ડ થઈ ગયું ! આ સંસારના લોકોની ટેપ ઉતારવી હોય તો વાર કેટલી ? એક જરાક સળી કરો તો પ્રતિપક્ષી ભાવ ટેપ થયા જ કરશે. ‘તારામાં નબળાઈઓ એવી છે કે સળી કરતાં પહેલાં જ તું બોલવા મંડીશ.’

પ્રશ્નકર્તા : ખરાબ બોલવું તો નહીં, પણ ખરાબ ભાવ પણ ના આવવો જોઈએ ને ?

દાદાશ્રી : ભાવ ના આવવો જોઈએ એ વાત ખરી છે. ભાવમાં આવે છે તે બોલમાં આવ્યા વગર રહેતું નથી. માટે બોલવું જો બંધ થઈ જાય ને, તો ભાવ બંધ થઈ જાય. આ ભાવ એ તો બોલવા પાછળનો પડઘો છે. પ્રતિપક્ષી ભાવ તો ઉત્પન્ન થયા વગર રહે જ નહીં ને ! અમને પ્રતિપક્ષી ભાવ ના થાય. ત્યાં સુધી તમારે પણ આવવાનું છે. એટલી આપણી નબળાઈ જવી જ જોઈએ કે પ્રતિપક્ષી ભાવ ઉત્પન્ન ના થાય. અને વખતે થયા હોય તો આપણી પાસે પ્રતિક્રમણનું હથિયાર છે, તેનાથી ભૂંસી નાખીએ. પાણી કારખાનામાં ગયું હોય, પણ બરફ થયું નથી ત્યાં સુધી વાંધો નથી. બરફ થઈ ગયા પછી હાથમાં ના રહે.

મહીં અનંતી શક્તિઓ છે. જેવી ફેરવવી હોય તેવું ફેરવી શકો તેમ છો. રસ્તો જાણવાની જરૂર છે.

શાસ્ત્રોએ કહ્યું કે ખરાબ બોલશો નહીં, ખરાબ વિચારશો નહીં. આપણે વિચારીએ કે આ આવું શા માટે ગા-ગા કરતા હશે ? આ મશીનરી જ એવી છે કે બધું ટેપ થઈ જાય. પછી જ્યારે પુરાવા ભેગા થાય ત્યારે ફજેતો થાય.

ઘરમાં વહુને ટૈડકાવે તો એ જાણે કે ‘કોઈએ સાંભળ્યું જ નથી ને, આ તો એમ ને એમ જ છે ને !’ નાનાં છોકરાં હોય ત્યારે એમની હાજરીમાં ધણી-બૈરી ગમે તેવું બોલે. એ જાણે કે આ નાનું છોકરું શું સમજવાનું છે ? અલ્યા, મહીં ટેપ થાય છે તેનું શું ? એ મોટું થશે ત્યારે એ બહાર પડશે !

પ્રશ્નકર્તા : જેને ટેપ ના કરવું હોય તેના માટે શું રસ્તો ?

દાદાશ્રી : કશું જ સ્પંદન નહીં કરવાનું. બધું જોયા જ કરવાનું. પણ એવું બને નહીં ને ! આય મશીન છે ને પાછું પરાધીન છે. એટલે અમે બીજો રસ્તો બતાવીએ છીએ કે ટેપ થઈ જાય કે તરત ભૂંસી નાખો તો ચાલે. આ પ્રતિક્રમણ એ ભૂંસવાનું સાધન છે. એનાથી એકાદ ભવમાં ફેરફાર થઈને બધું બોલવાનું બંધ થઈ જાય.

(પા.૧૬)

(સૂત્ર - ૧૨)

કોઈ પણ સંયોગ જે આપણને પ્રાપ્ત થયો, તેની ફરિયાદ ઊભી ના થાય તેમ ઉકેલ લાવવાનો છે. ખુશ ના થાય તેનો વાંધો નથી, પણ ફરિયાદ ના હોવી જોઈએ. આપણે જ્ઞાનવાળા રહ્યા, એટલે પ્લસ-માઈનસ કરી આપવું પડે. આ ગુણાકાર-ભાગાકાર શાથી શીખવે છે ? સંસારમાં નિવેડો લાવવા માટે.

એક માણસે મને પૂછ્યું’તું, કે મારો એક કાકાનો દીકરો મારે ત્યાં આવે છે. એ કશું બોલતો નથી. પણ એ આવે છે ત્યારે મને ખરાબ વિચારો આવ્યા કરે છે કે ‘આ નાલાયક ક્યાં આવ્યો ! આ નાલાયક ક્યાં આવ્યો !’ ‘એને ટૈડકાવીને કાઢી મેલું, આમ છે, તેમ છે,’ એવા વિચારો આવે. પછી મને કહે છે, ‘પણ આ શું છે ? મારો આ રોગ શી રીતે મટે ? તમે જ્ઞાન આપ્યું છે, ત્યારથી સામાનો દોષ મને નથી લાગતો.’ ત્યારે મેં એને સમજ પાડી કે એક દહાડો દાદાનું નામ લઈને આટલું કરજે. ત્યારે કહે, ‘શું ?’ મેં કહ્યું, ‘પેલા ભઈનું નામ શું ?’ ત્યારે કહે, ‘સોમચંદભાઈ.’ મેં કહ્યું, એ આવે કે મનમાં વિચાર ખરાબ આવે તેની સામે તું મનમાં બોલજે કે ‘સોમચંદ તો બહુ સારા માણસ છે, ઘણા સારા માણસ છે, કેવા લાયક માણસ છે !’ તું બોલજે કે તેની સાથે સરસ થઈ જશે. એટલે એવું બોલવા માંડ્યો તો પંદર દહાડામાં સરસ થઈ ગયું. પંદર દહાડા પછી ખરાબ વિચાર આવતા બંધ થઈ ગયા. ખરાબ વિચાર જેના આવે, તેના માટે સારા વિચાર મહીં કરો, તો પેલું બધું જતું રહે સડસડાટ. છોકરા માટે ખરાબ વિચાર આવે તો મહીં કહીએ, દાદા કહેતા’તા, મારા છોકરાં જેવો છોકરો નથી ને આ ખરાબ વિચાર કેમ આવે છે ? એટલે તરત બધું જતું રહે.

પ્રશ્નકર્તા : આપણે એની સામે આવા વિચારો કરીએ તો એની અસર થાય છે ?

દાદાશ્રી : હા, એવું કરો તો તરત અસર થઈ જાય. હું આ બધા અસરના જ ઉપાય બતાવું છું. મન ‘ખરાબ છે, ખરાબ છે’ એમ બોલ્યા કરે, અમે શું કરીએ ? કોઈના માટે ખરાબ અભિપ્રાય નીકળે ને, તો અમે એક બાજુ આવું બોલીએ, ‘બહુ ઉપકારી છે, બહુ ઉપકારી છે.’ એટલે પ્લસ-માઈનસ (સરવાળો-બાદબાકી) થઈ ઊડી જાય. કારણ કે ભરેલો માલ આપણો આવો છે. માટે એવો માલ મોકલો કે પેલા માલનું ચાલે નહીં કશું. અને એનું સાંભળીએ તો ગાંડા થઈ જઈએ આપણે.

તું ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઈ જઈશ. હું તો જે ફરિયાદ કરવા આવે તેને જ ગુનેગાર ગણું. તારે ફરિયાદ કરવાનો વખત જ કેમ આવ્યો ? ફરિયાદી ઘણાખરા ગુનેગાર જ હોય છે. પોતે ગુનેગાર હોય તો ફરિયાદ કરવા આવે. તું ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઈ જઈશ અને સામો આરોપી થશે. એટલે એની દ્રષ્ટિમાં આરોપી તું ઠરીશ. માટે કોઈની વિરુદ્ધ ફરિયાદ ના કરવી.

પ્રશ્નકર્તા : તો મારે શું કરવું ?

દાદાશ્રી : ‘એ’ અવળા દેખાય તો કહેવું, કે ‘એ તો સારામાં સારા માણસ છે, તું જ ખોટી છે.’ એમ ગુણાકાર થઈ ગયો હોય તો ભાગાકાર કરી નાખવો ને ભાગાકાર થઈ ગયો હોય તો ગુણાકાર કરી નાખવો. આ ગુણાકાર-ભાગાકાર શાથી શીખવે છે ? સંસારમાં નિવેડો લાવવા માટે.

પેલો ભાગાકાર કરતો હોય તો આપણે ગુણાકાર કરવા એટલે રકમ ઊડી જાય. સામા માણસ માટે વિચાર કરવો કે એણે મને આમ કહ્યું, તેમ કહ્યું એ જ ગુનો છે. આ રસ્તામાં જતી વખતે ભીંત અથડાય તો તેને કેમ વઢતા નથી ? ઝાડને જડ કેમ કહેવાય ? જે વાગે એ બધા લીલાં ઝાડ જ છે ! ગાયનો પગ આપણા ઉપર પડે તો આપણે કંઈ કહીએ છીએ ? એવું આ બધા લોકોનું છે.

(પા.૧૭)

‘જ્ઞાની પુરુષ’ બધાને શી રીતે માફી આપે ? એ સમજે કે આ બિચારા સમજતા નથી, ઝાડ જેવા છે. અને સમજણવાળાને તો કહેવું જ ના પડે. એ તો મહીં તરત પ્રતિક્રમણ કરી નાખે.

(સૂત્ર - ૧૩)

નેગેટિવને ભાંગવાનો જેટલો ટાઈમ યુઝલેસ જાય છે એના કરતાં પોઝિટિવમાં જોઈન્ટ થઈ જાય તો એની મેળે, ઓટોમેટિકલી ભાંગી જશે. અમે કહીએ છીએ કે આ પોઝિટિવ અહંકાર માટે તું આ નવ કલમો લખી લે અને એ પ્રમાણે કરવા માંડ ને !

પ્રશ્નકર્તા : એ જે નવ કલમો આપી છે એ વિચાર, વાણી અને વર્તનની શુદ્ધતા માટે જ આપી છે ને ?

દાદાશ્રી : ના, ના. અક્રમ માર્ગમાં એવી શુદ્ધતાની જરૂર જ નથી. આ નવ કલમો તો તમારા હિસાબ બધાની જોડે બંધાયેલા હોય અનંત અવતારના, એ હિસાબથી છૂટી જવા માટે આપી છે, ચોપડા ચોખ્ખા કરવા માટે આપી છે.

નવ કલમો તો ખૂબ જ બોલવા જેવી છે. આ કલમોનું વાંચન થાય તો વિચારોમાં ઘણો ફેરફાર થઈ જાય. નવ કલમો બોલો તો જેના આધારે તમારું મન બધું આજુબાજુ તણાય છે ને, તે તણાતું બંધ થાય, ગુનાઓ કર્યા છે એ ગુના બધા ઓછા થઈ જાય. ત્યાર પછી આ જ્ઞાન રહે બરોબર. એટલે આ બધું જે મેં દેખાડ્યું છે ને, એટલું કરો તો બહુ થઈ ગયું.

આ પોઝિટિવ અહંકાર માટે આ બધા ધર્મ ચલાવી રહ્યા છે, એક માત્ર પોઝિટિવ માટે જ. અમે કહીએ છીએ કે આ પોઝિટિવ અહંકાર માટે તું આ નવ કલમો લખી લે અને એ પ્રમાણે કરવા માંડ ને ! તેમાં બધા ધર્મ આવી ગયા. કોઈનું નેગેટિવ ના કરીશ.

નેગેટિવને ભાંગવાનો જેટલો ટાઈમ યુઝલેસ જાય છે એના કરતા પોઝિટિવમાં જોઈન્ટ થઈ જાય તો એની મેળે, ઓટોમેટિકલી ભાંગી જશે. પણ આ નેગેટિવને ભાંગવામાં બહુ ટાઈમ જાય છે આ લોકોને ! મૂઆ, અશુભ કર્મો દૂર કરવામાં નકામો ટાઈમ શું કરવા બગાડે છે ?

આ કાળના હિસાબે લોકોને શક્તિ નહીં. આ જેટલી શક્તિ છે એટલું જ આપ્યું છે. આ નવ કલમો એ આખી જિંદગી અમે પાળતા આવેલા, તે આ મૂડી છે. એટલે આ મારો રોજિંદો માલ, તે બહાર મૂક્યો. તે છેવટે પબ્લિકનું કલ્યાણ થાય એટલા સારું. નિરંતર કેટલાય વર્ષોથી, ચાલીસ-ચાલીસ વર્ષથી આ નવ કલમો દરરોજેય મહીં (અમારે) ચાલ્યા જ કરે છે. એ જ પબ્લિક માટે મેં મૂકી.

પ્રશ્નકર્તા : આ વાંચ્યુંને બધું, જબરજસ્ત વાત છે આ તો. નાનો માણસેય સમજી જાય તો આખી જિંદગી એની સુખમય જાય.

દાદાશ્રી : હા, બાકી સમજવા જેવી વાત જ એને મળી નથી. આ પહેલી વખત ચોખ્ખી સમજવા જેવી વાત મળે છે. હવે એ મળે એટલે ઉકેલ આવી જાય.

પ્રશ્નકર્તા : જે ઊંધો વ્યવહાર બની જાય છે, એની પાછળ કારણ ફેરવવા માટે આ જબરજસ્ત ઉપાય છે.

દાદાશ્રી : મોટો પુરુષાર્થ, જબરદસ્ત. એટલે આ મોટામાં મોટું અમે ખુલ્લું કર્યું, પણ હવે લોકોને મહીં સમજણ પડવી જોઈએ ને ! એટલે પછી અમે ફરજિયાત કર્યું કે આટલું તો તમારે કરવાનું. ભલે સમજણ ના પડે પણ પી જાને, કહીએ. એની મેળે શરીર સારું થશે. ભલે ને, ઉધરસ થયેલી પણ તારું શરીર તો સારું થશે જ.

(પા.૧૮)

પ્રશ્નકર્તા : અંદરના રોગ ખલાસ થઈ જાય બધા, સંસાર રોગ ખલાસ થઈ જાય.

દાદાશ્રી : ખલાસ થઈ જાય. આખા સંસારના સાર રૂપે લખ્યું બધું. આ એવું છે ને કે બાળકોના હાથમાં મેં રતન આપ્યું છે. કોઈ સમજનારાના હાથમાં ગયા હોય ને, તો કૂદે આ જોઈને, કૂદતો કૂદતો વાંચે કે મારા ધનભાગ્ય !

આ નવ કલમો શું છે ? શાસ્ત્રની નથી આ. અમે જે પાળીએ છીએ, તે પણ કાયમ અમારા અમલમાં જ છે, એ તમને કરવા માટે આપીએ છીએ, શક્તિ માંગવા માટે. આ પ્રમાણે અમારું વર્તન હોય. હા, આ નવ કલમો, અમે એમાં નિરંતર વર્તેલા હોય એ પહેલા. ત્યાર પછી જ્ઞાન થયેલું મને અને પછી આપણા મહાત્માઓએ પૂછયું, તમારું કશું આપો ને ! ત્યારે મેં કહ્યું, હું આમાં વર્તેલો હતો, ત્યારે જ મને આ જ્ઞાન પ્રગટ થયું. એટલે પછી એ વાત નીકળી છે.

(સૂત્ર - ૧૪)

આ સત્સંગ પોઝિટિવ જેવું છે, (અને) આ કુસંગ નેગેટિવ છે. કુસંગ દુઃખ મોકલે અને સત્સંગ સુખ આપે અને અહીંનો આ સત્સંગ તો મોક્ષ આપે ! સત્સંગ એટલે સત્નો યોગ થવો, સારી વસ્તુનો, પોઝિટિવ વસ્તુનો યોગ થવો તે. અને નેગેટિવ વસ્તુનો સંયોગ થવો દુઃખદાયી છે.

આખો સંસાર કુસંગ સ્વરૂપ છે અને પાછો કળિયુગનો પ્રભાવ ! સત્સંગથી કુસંગના પરમાણુ નીકળી જાય અને નવા શુદ્ધ પરમાણુ દાખલ થાય.

જેમ આ પોઝિટિવ-નેગેટિવ હોય ને એવું જ છે આ. સત્સંગ પોઝિટિવ જેવું છે, અને આ કુસંગ નેગેટિવ છે. નેગેટિવ માત્ર દુઃખદાયી છે. એટલે કુસંગ આપણી પાસે ના આવે તો આપણે જાણવું કે આપણને ભૌતિક સુખોની અડચણ, વાંધો આવવાનો નથી. અને જો સત્સંગ ઊંચો આવી ગયો ને ભીડો આવી ગયો, ભીડો એટલે આપણે છૂટવું હોય તોયે ના છૂટાય. એવો ભીડો આવે તો મોક્ષફળ મળે. એને પછી કોઈ રોકનાર જ નથી. ભીડો આવી ગયો, પછી સત્સંગમાંથી છૂટવું હોય તોયે ના છૂટાય.

એવો ભીડો પાછો કુસંગમાંયે આવે છે. કુસંગમાંથી છૂટવું હોય તોયે ના છૂટાય. કુસંગમાંયે એવો ભીડો આવે છે. એટલે સત્સંગ એટલે સત્સંગ જ. આ જગતનું સુખનું કારણ જ સત્સંગ છે.

સત્સંગ એટલે મનુષ્યો ભેગા થઈને સત્સંગ કરવો, એનું નામ સત્સંગ નહીં. સત્સંગ એટલે સત્નો યોગ થવો આપણને, સંયોગ થવો, સારી વસ્તુનો, પોઝિટિવ વસ્તુનો. નેગેટિવ વસ્તુનો સંયોગ થવો દુઃખદાયી છે.

સત્સંગમાં આવવાથી પ્રકાશ થાય, બળતરા બંધ કરી દે અને કુસંગ બળતરા ઊભી કરે. હવાઈનો દારૂ હવામાં ઉડાડે ને ધોતિયું બળે ને સળગાવી મારે, તેવું આ કુસંગનું છે. માટે કુસંગને પ્રત્યક્ષ અગ્નિ જાણજે.

કુસંગથી પાપ પેસે અને પછી પાપ કૈડે. આટલી ચરી પાળવાની. ચરી પાળે તો ફરી રોગ ઉત્પન્ન થાય નહીં. હોટલોમાં ખાવું એ પરમાણુ રાશી છે, એય કુસંગ છે ! આ જગતમાં કશું જાણીને ના કપાય, અજાણ્યે કપાય. માટે ચેતતા રહેવું.

આ નવરો પડે ને કોઈ કુસંગ મળી જાય, તે પછી કુસંગથી કૂથલી વધે અને કૂથલીના ડાઘા પડી જાય. આ બધા દુઃખો છે તે એના જ છે. આપણને કોઈનુંય બોલવાનો અધિકાર શો છે ? આપણે આપણું જોવાનું.

આ જો હિંગનો પાસ કોઈ તપેલાને લાગી

(પા.૧૯)

ગયો હોય તો છ મહિના પછી એ તપેલામાં દૂધપાક રાંધીએ તો તે બગડી જાય. આ હિંગના પાસની છ મહિના સુધી અસર રહે છે, તો કુસંગનો પાસ લાગે તો તો અનંતકાળ તમારા બગાડી નાખે એવું છે ! તેમ સત્સંગનો પાસ પણ એટલો જ રહે, પણ સત્સંગ વધારે વખત મળવો જોઈએ. ‘જ્ઞાની પુરુષ’ના સંગમાં જ્ઞાનીનો ‘પાસ’ લાગી જાય.

ભગવાને કહેલું કે ‘‘જ્યાં સુધી ‘જ્ઞાની પુરુષ’ મળે નહીં, ત્યાં સુધી તું જે તળાવમાં પડ્યો હોય તે જ તળાવમાં પડી રહેજે, બીજા તળાવમાં જઈશ નહીં. બીજા તળાવમાં તરવા જઈશ તો કાદવમાં ખૂંપતો જઈશ. તે તળાવના કાદવના પાછા ડાઘ લાગશે. અને જ્ઞાની મળે તો એ તળાવમાંથી ઝટ બહાર નીકળી જજે. ‘જ્ઞાની પુરુષ’ મળ્યા તો બધા તળાવનો તું માલિક થઈ જઈશ, ને તારું કામ થઈ જાય. તને તળાવમાંથી એ તારશે.’’

‘વીતરાગ’ ભગવાન કેવા પાકા હશે, તે સમજીને છૂટ્યા. જેનાથી તાપમાં દુઃખ સહન ના થાય તો તે કાદવમાં પડ્યા છે. ભગવાન તો કહે છે કે ‘અહીં તપેલો સારો, કાદવમાં પડ્યો તો તો થઈ રહ્યું !’ તપેલો તો ફરી ક્યારેક ઠંડો થાય, પણ કાદવવાળો ક્યારે છૂટે ? એક ફેરો કાદવમાં પડ્યો પછી તો કષાયનું સંગ્રહસ્થાન ઊભું થઈ જ જાય, પણ તાપમાં તપે તો કષાય તો મોળા પડે ! આ તો કાદવમાં પડેલો હોય તેનો સંગ થાય, અને એનાથી તો આપણા કષાય ઓછા હોય તોય સામાવાળાના કષાયો આપણામાં પેસી જાય. એક ફેર કાદવમાં પડ્યા તો પછી બહુ ભારે પ્રતિક્રમણ કરી નાખવું કે હવે ફરી ના પડાય.

સત્સંગ નિરંતર માર માર કરે તે સારો, પણ કુસંગ રોજ દાળ-ભાત-લાડુ જમાડે તે કામના નહીં. એક જ કલાક કુસંગ મળે તો કેટલાયે કાળનો સત્સંગ સળગાવી મૂકે. આ જંગલના ઝાડવા ઉછેરતાં પચીસ વર્ષ લાગે, પણ તેને સળગાવી મૂકતાં કેટલી વાર લાગે ? ‘જ્ઞાની પુરુષ’ તો કેટલુંક કરે ? રોજ કાળજી રાખીને જંગલમાં છોડવા વાવે અને કાળજી રાખીને ઉછેરે. તેને પછી સત્સંગ રૂપી પાણી પીવડાવે. પણ કુસંગ રૂપી અગ્નિને તે છોડવાને બાળી મૂકતાં કેટલી વાર ? સૌથી મોટી પુણ્યૈ તે કુસંગ ભેગો ના થાય તે.

અત્યારે કુસંગ છે એટલે આ જ્ઞાન મેં તમને બે કલાકમાં આપેલું, એ આ કુસંગ ખઈ જાય. કુસંગ ના ખઈ જાય ? તો એને માટે પાંચ આજ્ઞાઓની પ્રોટેક્શન વાડ આપી કે આ પ્રોટેક્શન કર્યા કરશો તો મહીં દશામાં મીનમેખ ફેરફાર નહીં થાય. એ જ્ઞાન એને આપેલી સ્થિતિમાં જ રહેશે. એટલે આ આજ્ઞા એ તમને પાળવા માટે આપી. એટલો ભાગ તમારી પાસે રાખ્યો. આમ એકલા રહ્યા કરો તો દર વખતે તો પ્રોટેક્શન રહે નહીં ને ! એ ટોળું, આખું ગામ જ સત્સંગનું હોય તો પ્રોટેક્શન રહી શકે.

(સૂત્ર - ૧૫)

આ મહાત્માઓ તો જીવતા-જાગતા દેવ છે. (મહાત્મા-મહાત્માની નેગેટિવ વાતો થઈ જાય,) એ તો યાદ કરીને આપણે માફી માંગી લેવાની.

પ્રશ્નકર્તા : આપણે આ જે સત્સંગ કરીએ છીએ એ પુણ્યના ખાનામાં જાય કે શુદ્ધ કર્મના ખાનામાં જાય ?

દાદાશ્રી : એ તો એવું છે ને કે આ જે (જ્ઞાન પામેલા મહાત્માઓ) શુદ્ધ થયા છે, અહંકારથી વિમુક્ત થયા છે, એને શુદ્ધના જ ખાનામાં જાય. અને જેને અહંકાર છે, ‘આ હું છું’ ત્યાં સુધી આનું ફળ જો જોઈતું હોય તો પુણ્ય એકલું જ હોય. અને જો આ પ્રમાણે વર્તે તો મુક્તિય પામી જાય. બાકી, ફળ તો બહુ મોટી પુણ્યૈ બંધાય.

(પા.૨૦)

સાચા આત્માની વાત સાંભળવી, એની પર થોડી ઘણી શ્રદ્ધા બેસવી, એ કંઈ જેવી તેવી વાત છે !

આપણે અહીં સત્સંગ કરીએ છીએ ને, આ જે વાતચીત થાય છે ને, તે ઘડીએ દેવો સાંભળવા આવે છે ! આવી વાત તો દુનિયામાં ક્યારેય બની જ નથી. આ શેની વાત ચાલે છે ? અહીં આગળ સંસારની કિંચિત્માત્ર વાત નથી, આ વાતમાં સંસારનો ભાગ બિલકુલ નથી, એક સેન્ટ પણ. આ સત્સંગ ભરાય છે, ઘેર-ઘેર બધા જમાડો છો, તો તે દા’ડે કેટલો આનંદ થાય ?

પ્રશ્નકર્તા : બહુ સરસ, જબરદસ્ત.

દાદાશ્રી : એવો આમને કેટલો આનંદ થયો હશે ! રોજ જલેબી બનાવવાની અને ફલાણું બનાવવાનું, ફરી ફરી આવો તાલ મળે નહીં.

કારણ કે બીજા જાગતા દેવ કોઈ જગ્યાએ દેખાતા નથી. જીવતા-જાગતા દેવ આટલા જ છે કે જેને મારું-તારું કશું રહ્યું નથી હવે.

આ મહાત્માઓ તદ્દન સાચા છે એની ગેરેન્ટી આપું છું. ભલે ગમે તેવા હશે, પૈસેટકે ઓછા હશે, તોય એમની દાનત સાફ, ભાવનાયે બહુ સુંદર છે. પ્રકૃતિ તો જુદી જુદી હોય જ. આ મહાત્માઓ તો જીવતા-જાગતા દેવ છે. આત્મા મહીં પ્રગટ થયેલો છે. એક ક્ષણ પણ આત્માને ભૂલતા નથી. ફરી આવો ચાન્સ ના મળે. અને આમાંય જો કદી આપ્તપુત્રોનું થાય, તો ઓર પાછું. કારણ કે જેને કશું લેવાય નહીં ને દેવાય નહીં. એટલે આ મહાત્માઓની સેવા થાય ને, એ ઘણું ઉત્તમ કહેવાય.

આ મહાત્માઓ શું છે એ જો મારા શબ્દો સમજે ને, તો એ ભગવાન જેવા છે પણ આ મહાત્માઓને ખબર નથી. આ આમને ચા-પાણી પાશે, જમાડશે, ખવડાવશે, મોટામાં મોટો યજ્ઞ કહેવાય, ફર્સ્ટ કોટીનો યજ્ઞ. બંગડીઓ વેચીને જમાડશે ને, તોય બહુ સારું. બંગડીઓ શાંતિ નહીં આપે. મહાત્માની જોડે બેસીએ તો દાનત ખોરી ના હોય. એટલે આ મહાત્માઓને તો જેટલા જમાડાય એટલા જમાડ-જમાડ કરવા. ચા પાશો તોય બહુ થઈ ગયું.

પ્રશ્નકર્તા : દાદા, મહાત્માને જમાડવાની તો ભાવના મારામાં પહેલેથી છે, પણ આજે આપે બહુ સરસ ઉઘાડ કર્યો, કે જાગતા દેવ છે.

દાદાશ્રી : જાગતા દેવ, સાચા દેવ. જેને કશું જોઈતું નથી એ દેવ કહેવાય બધા.

પ્રશ્નકર્તા : તો પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ, દરેક મહાત્માનો ભૂતકાળમાં જે દોષ થયો હોય અથવા વેરો-આંતરો થયો હોય...

દાદાશ્રી : ના, ના. આપણે ત્યાં તો કાયદો છે ને, વેરો-આંતરો જે જુએ ને, એ મહાત્મા જ ન હોય. દેખીતો આમ દેખાય છતાં પણ વેરો-આંતરો તરીકે તો જોવાનું હોય જ નહીં.

પ્રશ્નકર્તા : આપણે હવે બધું મહાત્મા માટે કરવાનું. હવે તો કરકસર નહીં કરીએ, આપે ‘જાગતા દેવ’ કીધા મહાત્માઓને. પણ અમારાથી કોઈવાર મહાત્મા-મહાત્માની કશી નેગેટિવ વાતો થઈ જાય, એ બધાની હવે માફી માંગી લઈએ.

દાદાશ્રી : એ તો યાદ કરીને આપણે માફી માંગી લેવાની. જ્યાં સુધી હજુ કાગળ પોસ્ટમાં નાખ્યો નથી, ત્યાં સુધી કાગળમાં છેકો મારી શકાય. એનો એ જ જન્મ છે ત્યાં સુધી બધું ચોખ્ખું કરી શકાય. જન્મ બદલાય તો (ફેરફાર કરવાનું) બધું ઊડી જાય.

આપણે એક જ વસ્તુ ‘પોઝિટિવ’ જોવાનું. જગત ‘પોઝિટિવ’ અને ‘નેગેટિવ’ને રસ્તે છે. જ્યારે ત્યારે તો એ ‘નેગેટિવ’ને ‘પોઝિટિવ’ કરશે, તો આપણે પહેલેથી ‘પોઝિટિવ’ કેમ ના રહીએ ? ‘અમે’ ‘નેગેટિવ’ને ‘પોઝિટિવ’થી જીતીએ છીએ.

(પા.૨૧)

(સૂત્ર - ૧૬)

આ જ્ઞાનીઓ શી રીતે સહીસલામત ને આનંદમાં રહેતા હશે ? કારણ કે જ્ઞાનીઓ જગતને જાણીને બેઠા છે કે ‘કશું જ થવાનું નથી, કોઈ નામ દેનાર નથી. હું જ છું બધામાં, હું જ છું, હું જ છું, બીજું કોઈ છે જ નહીં !’

બહુ સમજવા જેવું જગત છે. લોકો સમજે છે તેવું એ નથી. શાસ્ત્રોમાં લખ્યું છે એવું જગત નથી. શાસ્ત્રોમાં તો પારિભાષિક ભાષામાં છે, તે સામાન્ય માણસોને સમજાય તેવું નથી.

કિંચિત્માત્ર તમને કશું કોઈ કરી શકે એમ છે જ નહીં, જો તમે કોઈનામાં સળી ના કરો તો. એની હું તમને ગેરન્ટી લખી આપું છું. અહીં નર્યા સાપ પડ્યા હોય, તોય કોઈ તમને અડે નહીં એવું ગેરન્ટીવાળું જગત છે.

તમારી સળીઓ બંધ થઈ ગઈ તો દુનિયામાં તમને સળી કરનાર કોઈ નથી. તમારી સળીઓના જ પરિણામ છે આ બધા ! જે ઘડીએ તમારી સળીઓ બંધ થઈ જશે, ત્યારે તમારું કોઈ પરિણામ તમારી પાસે નહીં આવે. તમે આખી દુનિયાના, આખા બ્રહ્માંડના સ્વામી છો. કોઈ ઉપરી જ નથી તમારો. તમે પરમાત્મા જ છો. કોઈ તમને પૂછનાર નથી.

આ બધા આપણા જ પરિણામ છે. આપણે આજથી કોઈને માટે સ્પંદન કરવાનું, કિંચિત્માત્ર કોઈને માટે વિચાર કરવાનું બંધ કરી દો. વિચાર આવે તો પ્રતિક્રમણ કરીને ધોઈ નાખવાનું, એટલે આખો દિવસ કોઈના સ્પંદન વગરનો ગયો ! એવી રીતે દિવસ જાય તો બહુ થઈ ગયું, એ જ પુરુષાર્થ છે.

કહું છું ને, અમને ટ્વેન્ટી સેવન યર્સ (સત્યાવીસ વર્ષ)થી ટેન્શન થયું નથી બોલો, સિન્સ ટ્વેન્ટી સેવન યર્સ ! તમે આ દશાની ભક્તિ કરો છો, તે તમેય એવા થઈ જવાના. જેને ભજે તેને પૂરું પામે. જેનું નિદિધ્યાસન કરે તે રૂપ થાય.

આ જ્ઞાનીઓ શી રીતે સહીસલામત ને આનંદમાં રહેતા હશે ? કારણ કે જ્ઞાનીઓ જગતને જાણીને બેઠા છે કે ‘કશું જ થવાનું નથી, કોઈ નામ દેનાર નથી. હું જ છું બધામાં, હું જ છું, હું જ છું, બીજું કોઈ છે જ નહીં !’

(સૂત્ર - ૧૭)

ખોટી સમજણો દૂર થાય ને સાચી સમજણ આવે એ જ આનંદ છે. કષાયનો અભાવ એ જ આનંદ.

એટલે ‘આ બધા શી રીતે ભેગા થાય ? ગૂંચ શી રીતે નીકળે ?’ એ બધી બહુ વસ્તુ જાણે, એને તો ‘વેલ્ડીંગ’નો કરનાર કહેવાય.

પ્રશ્નકર્તા : આપનું જે ‘વેલ્ડીંગ’ છે એ સૂક્ષ્મ લેવલનું હોય છે, લોકોના સ્થૂળમાં હોય છે.

દાદાશ્રી : હા, સ્થૂળમાંય બધા બહુ હોય છે એવા.

પ્રશ્નકર્તા : આપનો આ ગુણ મને બહુ ગમ્યો. આપ કેવી રીતે બધાને સમજાવી-કરીને ‘વેલ્ડીંગ’ કરો છો ને છેવટે બધાંય આનંદમાં આવી જાય, એવું કરી આપો છો.

દાદાશ્રી : અને બધા આનંદમાં આવે એટલે એનો પછી મને આનંદ-આનંદ રહે. વખતે કોઈનું મોઢું ચઢેલું હોય તો તેને પહેલાં હું પૂછું, કે ‘શું છે તે આમ છે, તેમ છે ? શા દુઃખે મોઢું ચઢાવે છે ? મરવાનું તો છે જ, તો જીવતાં શા હારુ આનંદમાં નહીં રહેવાનું ? મરવાનું જ છે, તે દહાડે જોઈ લઈશું, પણ અત્યારે તો આનંદમાં રહેવાનું.’

એ તો વર્ષ - બે વર્ષ દુઃખમાં ના હોય ને પછી પાછા દુઃખમાં ને દુઃખમાં. આ દેહ જ એવો

(પા.૨૨)

છે પુદ્ગલ કે દુઃખ જ લાગે. દેહેય માથું ચઢે ત્યારે દુઃખ ના લાગે ? ત્યારે જો દેહનું દુઃખ લાગે છે તો ધણીનું ના લાગે ? પણ તોય ‘વેલ્ડીંગ’ થઈ ગયા પછી બે ભેગા થઈ જાય છે, તે ખરી મઝા આવે છે !

(સૂત્ર - ૧૮)

આ બધાના મોઢાં પર હું આનંદ દેખું છું, તે આ ‘વ્યવસ્થિત’ના જ્ઞાનને લીધે.‘વ્યવસ્થિત’નું જ્ઞાન આપણને ભયમાં ના રાખે, ભય બધા તૂટી જાય.

આ અત્યારે કોઈ માણસ આવીને કહે છે ને કે આ બધાના મોઢાં પર હું આનંદ દેખું છું, તે આ ‘વ્યવસ્થિત’ના જ્ઞાનને લીધે.

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : કારણ કે ગમે તે થયું તોય ‘વ્યવસ્થિત’ કહીને તરત તમે પાછા વળો ને ! પછી વિચાર કપાય જાય ને ! ભય-બય બધું ગયું. નહીં તો ‘વ્યવસ્થિત’ ના હોય તો ભય લાગે. આ જોઈ જશે, તેમ થઈ જશે, ફલાણું થઈ જશે.

પ્રશ્નકર્તા : વિકલ્પો થયા કરે.

દાદાશ્રી : વિકલ્પો થયા જ કરે. એ બધા વિકલ્પો ફરી ચઢી બેસે. (ક્રમિક માર્ગમાં) નિર્વિકલ્પી થયા પછીય ચઢી બેસે.

‘પોતે’ અકર્તા થાય તો ‘વ્યવસ્થિત’ કર્તા છે એવું સમજાય, તો જ જગત ‘જેમ છે તેમ’ સમજાય. ‘વ્યવસ્થિત’ સમજાય નહીં ત્યાં સુધી સંકલ્પ-વિકલ્પ જાય નહીં, ભય જાય નહીં, ક્રોધ-માન-માયા-લોભ જાય નહીં.

એટલે આ જગતમાં કોઈ ભય રાખવા જેવો નથી. ઈટ હેપન્સ છે, એમાં શું ભય રાખવા જેવું ? અને જ્યાં ઈટ હેપન્સ છે ત્યાં તો આ એલિવેટ થવાનીયે જરૂર શું ને ડિપ્રેશન થવાની એ જરૂર ક્યાં રહી ?

જે જે થાય છે એ પોતાના કર્મના ઉદય હોય તો જ થાય, તો જ ‘વ્યવસ્થિત’ના નિયમમાં આવી જાય, નહીં તો ‘વ્યવસ્થિત’ના નિયમમાં ના આવે. એટલે કંઈ ભય પામવા જેવું નથી જગત. જે થવાનું એ ‘વ્યવસ્થિત.’ એનો કશો વાંધો નથી અને તે આપણું સ્વરૂપ નથી, પુદ્ગલ છે. પુદ્ગલની અવસ્થાઓ છે, આત્માની અવસ્થા તે છે નહીં. આપણે તો આત્મા થઈને બેઠા છીએ. હવે આપણને કશું અડેય નહીં ને નડે નહીં. વાત જ સમજવાની છે. ‘વ્યવસ્થિત’નું જ્ઞાન આપણને ભયમાં ના રાખે, ભય બધા તૂટી જાય. વ્યવસ્થિત સમજે તો બહુ આનંદ થાય.

(સૂત્ર - ૧૯)

અક્રમ વિજ્ઞાન એટલે શું કે નેગેટિવ પોલિસી જ નહીં કે ‘તમે કેમ ચોરીઓ કરો છો ને તમે કેમ જૂઠું બોલો છો ? કેમ વ્યવહાર ખરાબ કરો છો ?’ એવી તેવી નેગેટિવ પોલિસી જ નહીં.

અમે તો શું કહ્યું કે તું જૂઠું બોલીશ જ નહીં અને જો તારે જૂઠું બોલવું જ હોય તો નિયમથી બોલ કે આજ મારે પાંચ જ જૂઠ બોલવા છે, છઠ્ઠી વખત નહીં, તો મોક્ષે જઈશ. પછી એ પાંચ જૂઠ બોલીને વપરાઈ જાય ત્યાર પછી એની બહેને કંઈક ચારિત્રસંબંધી દોષ કર્યો હોય, ત્યારે કોઈ પૂછે, કે ‘ભઈ, આ તમારા બહેનની વાત સાચી છે ?’ ત્યારે પેલાને આ પાંચ જૂઠ તો થઈ ગયા, હવે છઠ્ઠું જૂઠ તો બોલાય નહીં, એટલે એને ‘સાચું છે’ એમ કહેવું પડે. પાંચ ના વપરાઈ ગયા હોત તો પાંચમું આને વાપરત, પણ પાંચ જૂઠ વપરાઈ ગયા ! આને ‘નિયમથી અનીતિ’ કહી.

કોઈ ચોર ચોરી કરતો હોય, પણ જો નિયમથી ચોરી કરે તો એ નિયમ એને મોક્ષે લઈ જાય. નિયમથી ચોરી કરે એટલે શું ? એને

(પા.૨૩)

મહિનામાં બે ચોરીઓ કરવાની કહી હોય. હવે પહેલી ફેરા હાથ માર્યો તો એને દસ રૂપિયા હાથમાં આવ્યા, ફરી વાર હાથ માર્યો તો ચાલીસ રૂપિયા આવ્યા. એટલે ચાળીસ ને દસ, એમ મહિનામાં પચાસ રૂપિયા મળ્યા. હવે જો પહેલો હાથ ના માર્યો હોત તો એને બીજા ત્રણસો મળે એવું હતું, પણ બે વખત થઈ ગયું એટલે હવે લેવાય નહીં. એણે કોઈકના ગજવામાં હાથ ઘાલીને જોઈ લીધું કે આ તો ત્રણસો રૂપિયા છે, પણ તરત એને થયું કે આ તો ખોટું કર્યું, મારે બે ફેરા ચોરી તો થઈ ગઈ છે, એટલે એણે છોડી દીધું. આને નિયમથી અનીતિ કહેવાય.

મૂળ વસ્તુસ્થિતિમાં હું શું કહેવા માગું છું એ જો સમજે ને, તો કલ્યાણ થઈ જાય. દરેક વાક્યમાં હું શું કહેવા માગું છું, એ આખી વાત જ જો સમજવામાં આવે તો કલ્યાણ થઈ જાય. પણ જો એ એની ભાષામાં વાતને લઈ જાય તો શું થાય ? દરેકની ભાષા સ્વતંત્ર હોય જ, તે પોતાની ભાષામાં લઈ જઈને ફીટ કરી દે, પણ આ એની સમજણમાં ના આવે કે ‘નિયમથી અનીતિ કર !’

પ્રશ્નકર્તા : દાદા, મેં પણ જ્યારે પહેલી વખત વાંચ્યું ત્યારે હું એકદમ વિચાર કરતો થઈ ગયો, કે આ શું, દાદા શું કહેવા માગે છે ! પછી મને લાગ્યું કે આ તો બહુ ગજબનું વાક્ય છે !

દાદાશ્રી : હા, અક્રમ વિજ્ઞાન એટલે શું કે નેગેટિવ પોલિસી જ નહીં કે ‘તમે કેમ ચોરીઓ કરો છો ને તમે કેમ જૂઠું બોલો છો ? કેમ વ્યવહાર ખરાબ કરો છો ?’ એવી તેવી નેગેટિવ પોલિસી જ નહીં.

(સૂત્ર - ૨૦)

આપણે જીવનમાં એક પ્રિન્સિપલ (સિદ્ધાંત) રાખવો. હંમેશા પોઝિટિવ રહેવું, નેગેટિવના પક્ષમાં ક્યારેય ના બેસવું. સામેથી નેગેટિવ આવે ત્યાં મૌન થઈ જવું.

અમારું મન છે તે વર્ષોના વર્ષો ગયા પણ એક સહેજેય નેગેટિવ થયું નથી. સહેજેય, કોઈપણ સંજોગોમાં નેગેટિવ થયું નથી. લોકોને આ મન જો પોઝિટિવ થઈ જાય, તો ભગવાન જ થઈ જાય ! એટલે લોકોને શું કહું છું કે આ નેગેટિવપણું છોડતા જાવ, સમભાવે નિકાલ કરીને. પોઝિટિવ તો એની મેળે રહેશે પછી. વ્યવહારમાં પોઝિટિવ અને નિશ્ચયમાં પોઝિટિવ નહીં ને નેગેટિવેય નહીં !

આખું જગત ‘નેગેટિવ’માં ભટકી ભટકીને મરી ગયું. આ ‘અક્રમ’ તો સરસ ‘પોઝિટિવ’ માર્ગ છે ! પોઝિટિવ એટલે શું ? કશું કાઢવાનું નહીં, કશું ખસેડવાનું નહીં, માત્ર લાવવાનું. હું તો પોઝિટિવ કરવા માગું છું. નેગેટિવ સેન્સ જ લાવવા નથી માંગતો. જો એ સારો હોય ને, તો એને સારામાં પુષ્ટિ આપી દઉં. એટલે સારું એટલું બધું પ્રકાશમાન થાય, એટલી બધી જગ્યા રોકતું જાય કે નેગેટિવ જ ઊડી જાય. આ જગતને અત્યાર સુધી નેગેટિવ અથાડ અથાડ કરેલું !

પોઝિટિવ લે, એનો તો કશો વાંધો નથી. પોઝિટિવ લો. અમારું બધું પોઝિટિવ હોય જ છે ને ! અમે આખો દહાડો બોલ બોલ જ કરીએ છીએ, ગમે તેટલી ટેપ થાય પણ પોઝિટિવ. કશું નેગેટિવ નહીં. નેગેટિવ વિચાર નહીં, નેગેટિવ વર્તન નહીં.

આપણો સિદ્ધાંત શું છે ? પોઝિટિવ. નેગેટિવ નહીં, સામો તલવાર લઈને આવ્યો તો આપણા હાથમાં તલવાર હોય તો નીચે મૂકી દેવાની. પોઝિટિવ આપણું. કતલખાનું ખરું પણ અહિંસક કતલખાનું ! જીવહિંસા ના થાય. ભ્રષ્ટાચારી ગુણો બધા કતલ થઈ જાય અને સદાચારી ગુણો ઉત્પન્ન થાય. બહારના ગુણો બધા બદલાઈ જાય.

મૂળ ભગવાન મહાવીરના વખતથી ચાલતું આવ્યું છે કે પોઝિટિવ મોક્ષે વહ્યા જાય અને નેગેટિવ તદ્દન ઊંધા રસ્તે ચાલ્યા જાય. એટલે આપણે

(પા.૨૪)

જીવનમાં એક પ્રિન્સિપલ (સિદ્ધાંત) રાખવો. હંમેશા પોઝિટિવ રહેવું, નેગેટિવના પક્ષમાં ક્યારેય ના બેસવું. સામેથી નેગેટિવ આવે ત્યાં મૌન થઈ જવું.

(સૂત્ર - ૨૧)

હું કોઈનીય ‘બુદ્ધિ’ ના જોઉં, હું તો ‘સમજ’ જોઉં. અમારી કળાઓ બધી ઊંચી હોય, જો શીખી લે તો. જો વાત ગમી હોય તો શરૂઆત કરી દેજો. કાયમને માટે સેફસાઈડ થઈ જશે.

મહાત્માનું વર્તન ખોળવા જાય તો કશો દહાડો ના વળે. વર્તન તો કેટલાય કાળે હાથમાં આવે એવું છે. અને આ કાળ એવો નથી. આ સ્લિપિંગ કાળ છે, લપસણો કાળ છે. આમાં આપણે હવે દહાડો વળે નહીં. એના કરતાં મેલ પૂળો. વર્તનને બાજુએ મૂકી મનોશુદ્ધિ થવા દો. આત્મા શુદ્ધ થઈ ગયો. પહેલી મનની શુદ્ધિ થયા જ કરે નિરંતર. આત્મા શુદ્ધ થયો એટલે મનમાં જેટલું ડિસ્ચાર્જ થાય એને જોયા કરીએ, એટલું શુદ્ધ થયું મન.

આપણા મહાત્માઓને, પહેલું મન શુદ્ધ થાય ત્યારે વાણી શુદ્ધ થાય. વાણી શુદ્ધ થાય ત્યારે વર્તન શુદ્ધ થાય. પણ પહેલું મન શુદ્ધ થવું જોઈએ. જેટલા અંશે મન શુદ્ધ થયું એટલા અંશે વાણી શુદ્ધ થાય. જેટલા અંશે વાણી શુદ્ધ થઈ એટલા અંશે વર્તન શુદ્ધ થશે. વર્તન છેલ્લામાં છેલ્લું થાય. વર્તનની બહુ કિંમત નથી. ભગવાને વર્તનની કિંમત બહુ ગણી નથી. જગતે વર્તનની કિંમત ગણી છે. વર્તન તો ઘી તાવ્યા પછી, ગરમ કર્યા પછી આવે ! જે ટાઢું થયેલું ઘી હોય તે ઢળી ન જાય, માટે કંઈ વર્તનમાં આવ્યું નથી એવું ના કહેવાય. એને ગરમ કરે એટલે પાછું એવું થાય. અક્રમ વિજ્ઞાનીનું કહેવું એ જ છે કે જગત જે આખું માને છે, તેનાથી આ જુદું કરે છે. જગત આખું આને માને છે, વર્તનને. તારે મનમાં ગમે તે હશે પણ વર્તનમાં તો બહુ સારું છે ને એ અક્રમ જ્ઞાની ના પાડે છે કે મૂઆ, જોખમ તો આમાં છે. તારું વર્તન ગમે તેટલું સારું હોય પણ મન તારું બગડેલું છે એ આવતા ભવનો હિસાબ છે અને આ વર્તનનો તને આ ભવમાં જશ મળી જશે પણ આવતો ભવ બગડ્યો ને ! ત્યારે જગતને આવતા ભવની નથી પડેલી. અત્યારે સારું-સારું દેખાય. કારણ કે સમ્યક્ દ્રષ્ટિ નથી એને, એને મિથ્યાદ્રષ્ટિ છે.

જ્યાં ભેદ બુદ્ધિ છે ત્યાં મતભેદ અવશ્ય થવાના જ. અભેદ બુદ્ધિ જો ઉત્પન્ન થઈ જાય તો કામ જ નીકળી જાય. પોતે નિષ્પક્ષપાતી થાય તે સેન્ટરમાં બેસી બધાને નિર્દોષ જુએ. બુદ્ધિ અવળું દેખાડે કે તરત જ સમ્યક બુદ્ધિને આપણે કહી દઈએ કે જાવ, નિકાલ કરી આવો. તે નિકાલ કરી આવે. આત્મા ભ્રમિત થયો ત્યારે સંસાર ઊભો થયો, બુદ્ધિ ભ્રમિત થશે ત્યારે જ્ઞાન પ્રગટ થશે.

હું કોઈનીય ‘બુદ્ધિ’ ના જોઉં, હું તો ‘સમજ’ જોઉં. બુદ્ધિ તો એક લાઈનમાં ત્રણસો જગ્યાએ વાંકી હોય પણ સમજ છતી હોય તો વાંધો નથી. બુદ્ધિવાળો તો બુદ્ધિમાં ઊંચે ચઢે અને પાછો પડેય ખરો. જ્યારે ‘સમજ’વાળો, દર્શનવાળો ઊંચે ને ઊંચે, ઠેઠ સુધી ચઢી જાય.

મારી વાત તમને ઠોકી બેસાડવાની નથી. તમને પોતાને જ સમજમાં આવવું જોઈએ. મારી સમજ મારી પાસે, ઠોકી બેસાડવાથી તો કશું કામ જ ના થાય. તમને એ સમજ બેસી જાય પછી તમે એ સમજથી ચાલો. જ્ઞાનમાં કશું કરવાની જરૂર નથી, સમજવાની જરૂર છે. જ્ઞાનમાં અને સમજમાં કંઈ ફેર હશે ખરો ? તમે મારી પાસે વાતને સમજો. એ સમજ ધીમે ધીમે જ્ઞાન રૂપે પરિણામ પામે. જ્ઞાન જાણીએ ખરા, પણ વર્તનમાં ના આવે તે સમજ.

સમજણ હોય છતાંય વર્તનમાં ના આવે ત્યાં સુધી એને ‘દર્શન’ કહેવાય અને વર્તનમાં આવે એને ‘જ્ઞાન’ કહ્યું.

(પા.૨૫)

આપણે તો પડી ગયેલાને બેઠા કરવાના છે. ‘કેમ પડી ગયો’ તે પૂછવાનું નહીં. અમે ઊભા કરવા આવ્યા છીએ. એટલું પૂછીએ કે તને ક્યાં વાગ્યું ? ભાઈ શું થયું ? કેવી રીતે પડ્યો ? કેમ પડ્યો ? આવી મૂર્ખાઈ કેમ કરી ? એક તો વાગ્યું આટલું બધું ને પાછી પાટાપિંડી કરવાની, તેને બદલે આ કરો છો ? ગમે તેવો ગુનો કરીને આવ્યો, વાગ્યું એટલે એને પાટાપિંડી કરો.

હવે તમને જ્ઞાન છે તેથી સામા જોડે કામ લેતા શીખો, પહેલાની રીત હવે ફેરવો. પહેલા તો એવું થવું જોઈએ કે અત્યાર સુધીની રીત ખોટી હતી. ત્યાર પછી સબ્સ્ટિટ્યૂટ (અવેજી) જડશે. હવે સબ્સ્ટિટ્યૂટ ખોળો. ઘરમાં એવા આનંદથી રહો, સામાની ભૂલ થઈ હોય તોય તેની જોડેય આનંદથી રહો. બધાને આનંદમાં રાખો. ભૂલવાળાનેય આનંદમાં રાખીને પછી કામ એવું લેવું. મારી જોડે બેસો છો રોજ, કંઈ ને કંઈ શીખવાનું તો મળે જ ને ! અમારી કળાઓ બધી ઊંચી હોય, જો શીખી લે તો. જો વાત ગમી હોય તો શરૂઆત કરી દેજો. કાયમને માટે સેફસાઈડ થઈ જશે.

- જય સચ્ચિદાનંદ