ભેદવિજ્ઞાન પામ્યા પછી, ચરણ વિધિની મહત્વતા

સંપાદકીય

જ્ઞાની પુરુષ દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાન થકી આ કળિકાળના મનુષ્યો માટે આત્મા સાક્ષાત્કાર પામવા માટે અમૂલ્ય ‘ભેદવિજ્ઞાન પ્રયોગ’ પ્રાપ્ત થયો છે. જેમાં દાદા ભગવાનની કૃપાથી ‘હું’ અને ‘મારું’ વચ્ચે ભેદરેખા પડી જાય છે અને પોતાને પ્રતીતિ બેસે છે કે ‘હું ચંદુ’ નથી પણ ‘હું શુદ્ધાત્મા’ જ છું. પોતાને સ્વરૂપનું ભાન થાય એટલે અંશ જ્ઞાન થાય. પછી આગળ જાગૃતિ વધતા વધતા સંપૂર્ણ ભાન પ્રગટ થતા કેવળજ્ઞાન થાય છે.

જ્ઞાન મળતા જ સહુ મહાત્માઓ રોજ નિશ્ચય-વ્યવહાર વિધિ કરતા હોય છે પણ પ્રસ્તુત અંકમાં ઉપયોગપૂર્વક નિશ્ચય-વ્યવહાર ચરણ વિધિ કરવાની સમજણ, એની મહત્વતા પરમ પૂજ્ય દાદાશ્રીની વાણીમાંથી અત્રે સંકલિત થઈ છે. જેમ જેમ ચરણ વિધિનું આરાધન આત્માના ગુણોની સમજ સાથે થશે, તેમ તેમ આવરણો ઓગળશે અને તે રૂપ થવાશે. હવે જ્ઞાન પછી મૂળ આત્મસ્વરૂપને જેમ છે તેમ અનુભવવું તે જ આપણો એક માત્ર ધ્યેય છે. તે ધ્યેયને પહોંચવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીના સત્સંગ, જ્ઞાનીનું સાંનિધ્ય, દાદાની વાણીનું વાંચન, સામાયિક, પાંચ આજ્ઞા અને ચરણ વિધિ એ બધું હિતકારી છે.

જ્ઞાનવિધિમાં બોલાય છે એમાંથી ઘણાખરા વાક્યો ચરણ વિધિમાં આત્મારૂપ થવા માટે મૂકાયેલા છે. નિત્યક્રમમાં ચરણ વિધિના જ્ઞાનવાક્યો જે આપણે બોલીએ છીએ, તેનાથી આત્મા-અનાત્માના ગુણધર્મો ખબર પડ્યા કરે અને જ્યારે કોઈ પ્રસંગ બને, જેમ કે કોઈ સંસારી મૂંઝવણ આવે, અશાતા વેદનીય આવે, તે વખતે શુદ્ધાત્માની જાગૃતિ સાથે તેની સામે એક-એક ગુણ ગાતા જશો તો ત્યારે છૂટાપણું વર્તાશે અને અદ્ભુત પરિણામ અનુભવાશે. રોજ ચરણ વિધિ કરે તેને ઊંચું પરિણામ આવે. આ જ્ઞાન જીવંત રહે તે માટે પાંચ આજ્ઞાની વાડ મૂકી છે, જેથી જ્ઞાનબીજનું જતન થાય અને આત્મસ્વભાવ પ્રગટ થતો જાય. તેટલા અંશે કેવળજ્ઞાનથી માંડી સર્વાંશે કેવળજ્ઞાન સુધી પહોંચાય.

આ ચરણ વિધિ એ વ્યવહાર સિદ્ધનું સ્તવન છે. વ્યવહાર સિદ્ધ સ્તવન એટલે સિદ્ધની સ્તવના છે આ. ચરણ વિધિની અજાયબી એ છે કે સંસારના વ્યવહારનો સમભાવે નિકાલ કરતા તેનાથી અલિપ્ત રહીને, પોતાના નિશ્ચય સ્વરૂપને ઓળખીને સિદ્ધ ભગવાનની દશાની સ્તુતિ થાય છે. આપણને સિદ્ધ સ્થિતિમાં લઈ જનારો વ્યવહાર છે આ, એટલે તેના માટે ચરણ વિધિ આપેલી છે. માટે આ ચરણ વિધિ અવશ્ય કરવા જેવી વસ્તુ છે. મહાત્માઓને ચરણ વિધિના એક-એક શબ્દનો શબ્દાર્થ સમજાય, પછી ભાવાર્થ અને આગળ અર્થ ખુલતા ખુલતા ઠેઠ પરમાર્થ સમજીને અખંડ સમાધિદશા અનુભવાય એ જ હૃદયપૂર્વક અભ્યર્થના.

~ જય સચ્ચિદાનંદ.

ભેદવિજ્ઞાન પામ્યા પછી, ચરણ વિધિની મહત્વતા

(પા.૪)

જ્ઞાનવિધિ : પુદ્ગલ-આત્માનું સેપરેશન

પ્રશ્નકર્તા : આપની જ્ઞાનવિધિ એ શું છે ?

દાદાશ્રી : જ્ઞાનવિધિ તો સેપરેશન (છૂટું પાડવું) પુદ્ગલ અને આત્માનું ! શુદ્ધ ચેતન અને પુદ્ગલ, બેનું સેપરેશન.

પ્રશ્નકર્તા : આ સિદ્ધાંત તો બરાબર જ છે પણ એની પદ્ધતિ શું છે ?

દાદાશ્રી : આપવાનું એવું કશું હોતું નથી. અહીં બેસીને આ જેમ છે એમ બોલવાની જરૂર છે. (‘હું કોણ છું’ એનું ભાન, જ્ઞાન કરાવવાનો બે કલાકનો જ્ઞાન-પ્રયોગ હોય છે. તેમાં પછી અડતાલીસ મિનિટ આત્મા-અનાત્માના ભેદ પાડનારા ભેદજ્ઞાનના વાક્યો બોલાવવામાં આવે છે. તે બધાએ બોલવાના હોય છે. ત્યાર બાદ એક કલાક ‘પાંચ આજ્ઞાઓ’ દાખલા સાથે વિગતવાર સમજાવવામાં આવે છે, જેમાં હવે પછીનું જીવન કેવી રીતે પસાર કરવું કે જેથી નવા કર્મો બંધાય નહીં, જૂના કર્મો પૂરા થાય ને સાથે સાથે ‘હું શુદ્ધાત્મા છું’નું લક્ષ કાયમ રહ્યા કરે !)

અમે જ્ઞાન આપીએ છીએ તે સીધી જ અનુભૂતિ થાય છે, એને પરમાર્થ સમકિત કહે છે. તેથી પ્રજ્ઞા ઉત્પન્ન થાય એટલે સીડી કે પગથિયાં ચઢવાં ના પડે પણ સીધા જ ઉપર પહોંચી જવાય.

અમે ‘સ્વરૂપ જ્ઞાન’ આપીએ એટલે પ્રજ્ઞાને બેસાડી દઈએ. પછી એ પ્રજ્ઞા તમને ક્ષણે ક્ષણે ચેતવે. ગમે તેવા વિકટ સંયોગો આવે ત્યારે અમારું જ્ઞાન હાજર થઈ જાય, અમારી વાણી હાજર થઈ જાય, અમે હાજર થઈ જઈએ અને તમે જાગૃતિમાં આવી જાવ ! ક્ષણે ક્ષણે જાગૃત રાખે તેવું અમારું આ ‘અક્રમ જ્ઞાન’ છે.

જ્ઞાનવિધિ પમાડે કારણ કેવળજ્ઞાન

પ્રશ્નકર્તા : આ જ્ઞાનવિધિ છે એ આપે બનાવેલી છે ?

દાદાશ્રી : એ ઉદયમાં આવેલી છે. આ અમારું ઐશ્વર્ય છે, એ પ્રગટ થયેલું છે.

પ્રશ્નકર્તા : આ જ્ઞાનવિધિ છે આપની, એની અંદર ગજબની શક્તિ છે !

દાદાશ્રી : હા, એક્ઝેક્ટ કેવળજ્ઞાન જ. આખી જ્ઞાનવિધિ કેવળજ્ઞાન જ છે અને આ મારી શક્તિ નથી, ઐશ્વર્ય પ્રગટ થયું છે. બે કલાકમાં મોક્ષ આપે એવું ઐશ્વર્ય પ્રગટ થયેલું છે. દાદાની જ્ઞાનવિધિ થાય, આત્મજ્ઞાન થઈ જાય, તેનો મોક્ષ થઈ જાય. નહીં તો લાખ અવતારેય ઠેકાણું ના પડે.

આ તો મૂળ આત્માનું ઐશ્વર્ય છે ! અહો ! ઐશ્વર્ય છે આ ! નહીં તો બે કલાકમાં મોક્ષ તે હોતો હશે ? આ તો મૂળ આત્માનો વૈભવ છે. એ આત્મા અમે જોયો છે. એનું ઐશ્વર્ય પાર વગરનું છે !

જબરજસ્ત ઐશ્વર્ય પ્રગટ થયું છે. જે માગે એ મળે અહીં, જોઈએ એટલું, માગતા ભૂલે જગતમાં. માગવાની આપણી પાત્રતા જોઈએ. આ તો બહુ મોટું ઐશ્વર્ય કહેવાય. કલાકમાં તો મનુષ્યની આખી દ્રષ્ટિ ફરી જાય છે.

આ જ્ઞાન ભેદવિજ્ઞાન છે. એ તો મતિજ્ઞાનની ટૉપ ઉપરનું જ્ઞાન છે અને સો ટકા મતિજ્ઞાન એ કેવળજ્ઞાન કહેવાય. એટલે આ લગભગ છન્નું ઉપર સતાણું ટકા હોય છે એટલે એ ભેદવિજ્ઞાન કહેવાય અને સો ટકા એ કેવળજ્ઞાન કહેવાય.

પ્રશ્નકર્તા : તો પછી ભેદજ્ઞાન એ સર્વસ્વ જ્ઞાન એમ કહેવાય ?

(પા.૫)

દાદાશ્રી : ભેદજ્ઞાન એ જ સર્વસ્વ જ્ઞાન અને એ જ કેવળજ્ઞાનનું મોંબારું છે ! એટલે બિલકુલ શુદ્ધ જ્ઞાન એ જ પરમાત્મા છે, બીજું કશું નહીં.

ભગવાને તેથી કહેલું કે આત્મજ્ઞાન જાણો. આત્મજ્ઞાન અને ‘કેવળજ્ઞાન’માં બહુ લાંબો ફેર જ નથી. આત્મજ્ઞાન જાણ્યું એ ‘કારણ કેવળજ્ઞાન’ છે ને પેલું ‘કાર્ય કેવળજ્ઞાન’ છે !

જ્ઞાન મળતા કેવળજ્ઞાનના અંશોની શરૂઆત

આપણને અહીં જ્ઞાન મળે ને, આત્મજ્ઞાન, તે પછી અંશ કેવળજ્ઞાન થાય પહેલું. પછી એ અંશ ધીમે ધીમે વધતા વધતા સર્વાંશ થાય.

અંશે અંશે મોક્ષ થતો જ જવાનો, એકદમ મોક્ષ થતો નથી. કેવળજ્ઞાનેય અંશે અંશે થતું જાય છે, કેવળજ્ઞાનેય એકદમ નથી ઝબકતું. એટલે આપણે જ્ઞાન આપ્યા પછી અંશે, બે અંશે કેવળજ્ઞાનમાં અંશો ઉત્પન્ન થાય છે જ. એ અંશ કેવળજ્ઞાન કહેવાય છે.

જેટલા અંશે આત્મસ્વભાવ પ્રગટ થતો જાય, તેટલા અંશે કેવળજ્ઞાન પ્રગટ થતું જાય. અમુક ભાગ આવ્યા પછી (સ્પષ્ટ વેદન થયા પછી), ત્યાર પછી સર્વાંશે થાય. સર્વાંશે આત્મસ્વભાવ પ્રગટ થાય ત્યારે સર્વાંશે કેવળજ્ઞાન કહેવાય. એટલે એબ્સૉલ્યૂટ થાય. એબ્સૉલ્યૂટ કેવળજ્ઞાન એ પરમાત્મ પદ છે.

પેલું આંશિક જ્ઞાન એ આંશિક કેવળજ્ઞાન કહેવાય. ત્રણસો છપ્પન ડિગ્રી કે ત્રણસો પાંચ ડિગ્રીએ આંશિક કેવળજ્ઞાન પણ ઉત્પન્ન થાય. મને ત્રણસો છપ્પન અંશે કેવળજ્ઞાન થયેલું છે, ચાર અંશે બાકી છે. અને જેટલું (પ્રજ્ઞાથી) દેખાય છે એટલા કેવળજ્ઞાનના અંશ મને દેખાય છે.

પ્રશ્નકર્તા : કેવળજ્ઞાન પણ આંશિક હોય ખરું ?

દાદાશ્રી : આંશિક એટલે ખરેખર કેવળજ્ઞાન હોતું નથી. આંશિક જ્ઞાન કહીને એને એમ બતાડવામાં આવે છે કે આ માર્ગ કેવળજ્ઞાન તરફ જ જઈ રહ્યો છે.

આ જ્ઞાન મળ્યું ને આજ્ઞા પાળો છો, ત્યારથી કેવળજ્ઞાનના અંશો ભેગા થવાની શરૂઆત થઈ જાય છે. પછી બે અંશ, ચાર અંશ એમ કરતા કરતા ત્રણસો સાઈઠ અંશ પૂરા થાય, ત્યારે કેવળજ્ઞાન થાય. મને ત્રણસો છપ્પન અંશ રહ્યું. આ તમને અંશો ભેગા થતા થતા ત્રણસો છપ્પન અંશ સુધી જશે ને ? રિયલ વ્યૂ પોઈન્ટ અને રિલેટિવ વ્યૂ પોઈન્ટ એ ભાવમાં નિરંતર રહે તે કેવળજ્ઞાન. એ ભાવ પૂરો થયે સંપૂર્ણ કેવળજ્ઞાન થાય.

સંપૂર્ણ ભાન પ્રગટ્યે, વર્તને કેવળજ્ઞાન

પ્રશ્નકર્તા : તો આ જ્ઞાનવિધિથી અમને પૂર્ણ જ્ઞાન નથી થતું ?

દાદાશ્રી : ના, ભાન થાય છે, જ્ઞાન નથી થતું. એ જે (પોતાનું) ભાન જતું રહ્યું છે, એ ભાન થાય છે એને.

પ્રશ્નકર્તા : એ ભાન પછી જ્ઞાન સુધી પરિણમે છે ?

દાદાશ્રી : થઈ રહ્યું, ભાન થયું એટલે ખલાસ, કામ પૂરું થઈ ગયું !

પ્રશ્નકર્તા : એટલે એને જ્ઞાનમાં જ આવી ગયું કહેવાય ?

દાદાશ્રી : પછી જેટલા માઈલ ઊંધો ચાલ્યો હતો એટલા માઈલ પાછો આવે એટલે થઈ ગયો એકદમ કમ્પ્લીટ.

પ્રશ્નકર્તા : એને કહ્યું ને કે ભાન આવ્યું કહેવાય, જ્ઞાન ના કહેવાય, તો ભાનમાં, દર્શનમાં અને જ્ઞાનમાં ફરક શું ?

(પા.૬)

દાદાશ્રી : એ ભાન તો દર્શનથી આગળની વસ્તુ છે. પહેલા દર્શન થાય એટલે પ્રતીતિ પહેલી બેસે કે આ કહે છે એમ જ છું હું. હું ખરેખર આ ચંદુલાલ નથી, એવી એની પ્રતીતિ બેસે, પછી એને ભાન થાય. એનું સંપૂર્ણ ભાન પછી થાય એને.

પ્રશ્નકર્તા : એટલે ભાન થાય છે, એને એ પછી હજુ આગળ જ્ઞાન રહ્યું ?

દાદાશ્રી : એ ભાન એ જ જ્ઞાનની નિશાની. રોજ રોજ ભાન અંશ જ્ઞાન થતું જાય. જેટલો અનુભવ, અંશ જ્ઞાન, થતા જાય એટલું ભાન થતું જાય. સંપૂર્ણ ભાન પ્રગટ થયું એટલે પછી વર્તનમાં આવે અને વર્તન એ કેવળજ્ઞાન છે.

જાગૃતિ સંપૂર્ણ થયે, થાય કેવળજ્ઞાન

આ જ્ઞાનનો અર્થ શું છે ? જાગૃતિ. આપણી આ આત્મજાગૃતિ છે અને એનું ફળ કેવળજ્ઞાન છે. નિરંતર જાગૃતિ રહેવી જોઈએ. એક સેકન્ડ પણ અજાગૃતિ રહે એ ચાલે નહીં. સંપૂર્ણ જાગૃતિ ના રહે પણ અમુક અંશે નિરંતર હોય. સંપૂર્ણ જાગૃતિ થાય ત્યારે કેવળજ્ઞાન કહેવાય, સંપૂર્ણ અને નિરંતર ! આ તમને અપૂર્ણ ને નિરંતર એ જાગૃતિ શરૂ થઈ જાય.

પ્રશ્નકર્તા : અપૂર્ણ અને નિરંતર જાગૃતિ એ ના સમજાયું.

દાદાશ્રી : એટલે કેવળજ્ઞાન નહીં, પૂર્ણ હોત તો કેવળજ્ઞાન કહેવાત. એટલે તમારે હવે પુરુષાર્થ કરવાનો રહ્યો, તમે પુરુષ થયા માટે. તો હવે તમે પુરુષાર્થ કરો. જેટલી આજ્ઞા પાળો એટલી મહીં જાગૃતિ વધતી જાય, પૂર્ણતા ઉત્પન્ન થતી જાય. જ્યાં જાગૃતિ પહોંચી એ જ આત્મા નજીક પહોંચ્યા. જેટલું નજીક ગયા એટલું અજવાળું વધારે, એટલો પ્રકાશ થતો જાય. જાગૃતિ છેવટે પૂર્ણ થાય ત્યારે કેવળજ્ઞાન કહેવાય.

મેં જે જ્ઞાન આપ્યું, તે તમને દર્શનમાં પરિણામ પામ્યું. હવે જ્ઞાન છે તે અમારી જોડે બેસશો તેમ તેમ તેટલા અંશે વધતું જશે, તેમ શુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થશે. જેટલો શુદ્ધ ઉપયોગ ઉત્પન્ન થયો એટલું જ્ઞાન છે. એ શુદ્ધ ઉપયોગ સંપૂર્ણ વર્ત્યો નિરંતર, એનું નામ કેવળજ્ઞાન ! સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ તે કેવળજ્ઞાન કહ્યું છે. એને શુદ્ધ ઉપયોગમાંથી કેવળજ્ઞાનના બીજ રોપાયા, અંશ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એ સર્વાંશ થતા ટાઈમ લાગે, સૌ-સૌના પુરુષાર્થ પ્રમાણે. જે અમારી આજ્ઞામાં રહે એને સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે.

આજ્ઞા-વિધિઓથી આવશે કરેક્ટનેસ

તમારે હજી મારી આજ્ઞા પાળવાની છે. જેટલી આજ્ઞા પાળો તેટલા કેવળજ્ઞાન સ્વરૂપ થાઓ.

આ પાંચ વાક્યો જ એ કેવળજ્ઞાનના યથાર્થ સાધનો છે. એ સાધનોથી કામ લીધું કે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. આ સંસાર નડતો નથી. આ પાંચ વાક્યો ને સંસારને લેવાદેવા નથી.

આત્મજ્ઞાન અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વર્તાય એટલે પછી કેવળજ્ઞાન થાય. કેવળજ્ઞાન પામવું એ જ્ઞાની મળે પછી કંઈ બહુ છેટું નથી, નહીં તો કરોડો વર્ષ, કરોડો અવતારેય નથી.

પ્રશ્નકર્તા : કૃપાળુદેવની બૂકમાં વાંચ્યું હતું કે સત્સંગ કરશો તો કેવળજ્ઞાન નજીક છે.

દાદાશ્રી : એ ખરું કહેવાય, સાચું લખ્યું છે. આપણે કેવળજ્ઞાનની બહુ ઉતાવળ ના કરવી. આજે છે તે રૌદ્રધ્યાન-આર્તધ્યાન ના થાય એની ઉતાવળ કરવી.

પ્રશ્નકર્તા : અત્યારે જે જરૂરી હોય તે જ પહેલા કરાય ને ?

(પા.૭)

દાદાશ્રી : કેવળજ્ઞાન તો એની મેળે સામું આવે છે. એને લેવા જવું પડતું નથી.

પ્રશ્નકર્તા : દાદા, એ બોજો હલકો કરવા આપને અરજ કરી છે.

દાદાશ્રી : એ બરોબર છે. બોજો તમારે રાખવાનો નહીં. એ તો એની મેળે સામું જ આવવાનું હવે. આ આજ્ઞા પાળો ને, એટલે એ પદ સામું આવવાનું. મારે ચોખ્ખું કહી દેવું જોઈએ ને કે શું છે આ ! કરેક્ટનેસ તો આવવી જોઈએ ને ?

આ પાંચ આજ્ઞા પાળવી અને અહીં મારી પાસે આવવું એનું નામ સત્સંગ. બીજો શું સત્સંગ કરશો ? પાંચ આજ્ઞાનું વિવરણ કરવું, વખતે શું પળાય છે, ક્યાં ચૂકાય છે, એ જ જાગૃતિ રાખવી. બીજો કયો સત્સંગ ? અને વખતે બેઠા બેઠા આપ્તવાણી પુસ્તક વાંચતા હોઈએ, દાદાના પુસ્તક વાંચતા હોય તો વાંધો નથી, પણ વાંચવું જ એવો આગ્રહ ન હોવો જોઈએ. અને પેલી ચરણ વિધિનો આગ્રહ રાખવાનો છે. અમે તો એક વખત કરજો કહ્યું છે પણ એને તો દહાડામાં દસ-દસ વખત બોલવી જોઈએ.

ચરણ વિધિ એ વ્યવહાર સિદ્ધ સ્તવન

પ્રશ્નકર્તા : દાદા, આ ચરણ વિધિ કરીએ એનાથી શું ફાયદો થાય ?

દાદાશ્રી : આ ચરણ વિધિ એ વ્યવહાર સિદ્ધનું સ્તવન છે, વ્યવહાર સિદ્ધ સ્તવન. એટલે સિદ્ધની સ્તવના છે આ. એટલે ખાસ કરવા જેવી વસ્તુ છે.

પ્રશ્નકર્તા : વ્યવહાર શુદ્ધ સ્તવન એટલે શું ?

દાદાશ્રી : સિદ્ધ સ્તવન. આપણને સિદ્ધ સ્થિતિમાં લઈ જનારો વ્યવહાર આ. એટલે ચરણ વિધિ એટલા માટે જ આપેલી છે ને !

એકાદ વખત વાંચો છો (દરરોજ) ?

પ્રશ્નકર્તા : હા, પણ આ ચરણ વિધિ કરીએ એ ચાર્જ ગણાય કે ડિસ્ચાર્જ ગણાય ?

દાદાશ્રી : એ ચાર્જ કહેવાય. જેને ‘કરવી પડે’ એમ કહીએ ને, એ ચાર્જ અને તેય આજ્ઞાપૂર્વકની છે વસ્તુ. અને બીજું બધું તો ‘ડિસ્ચાર્જ’ થઈ રહ્યું છે.

અક્રમ માર્ગે શુદ્ધ નિશ્ચય-વ્યવહાર

‘જ્ઞાની પુરુષ’ની આજ્ઞાપૂર્વક ઠેઠનું કરવું હોય તે કરી લેવાય, એવો વખત ફરી ફરી ના મળે !

કો’ક વખત એવો ગજબનો પુરુષ પાકે ને, ત્યારે પોતાને જાતે બોલવું પડે છે ! આ વીતરાગોના ‘સાયન્સ’ની બહુ ઊંચી શોધખોળ છે ! કેવું ગૂઢાર્થ ! અત્યંત ગુહ્ય ! આ ‘રિયલ’ ને આ ‘રિલેટિવ’નો ભેદ પાડવો, તે ‘જ્ઞાની પુરુષ’ સિવાય બીજા કોઈનું કામ જ નહીં ને ! આ તો મોટું વન્ડર છે, ઈલેવન્થ વંડર ઓફ ધ વર્લ્ડ (દુનિયાનું અગિયારમું આશ્ચર્ય), નહીં તો વર્લ્ડમાં આવું હોઈ શકે નહીં. આવું સાંભળવામાં જ ના આવ્યું હોય !

એટલે આ પૂર્ણ પ્રગટ તમારું થયું છે, એટલે બધી જ ક્રિયા થઈ શકે એમ છે. સંસારની સર્વસ્વ ક્રિયા થઈ શકે અને આત્માની સર્વસ્વ ક્રિયા, બંને પોતપોતાની ક્રિયામાં રહે, સંપૂર્ણ વીતરાગતામાં રહીને, એવું આ અક્રમ વિજ્ઞાન છે ! આ ‘અક્રમ વિજ્ઞાન’ તો ‘સાયન્ટિફિક’ છે ! વિજ્ઞાન છે ! એક્ઝેક્ટ છે !

અક્રમ એટલે સંપૂર્ણ વિજ્ઞાન. છતાં આ શુદ્ધ વ્યવહાર સહિત છે. શુદ્ધ વ્યવહાર ના હોય તો નિશ્ચય ના હોય. શુદ્ધ વ્યવહાર એટલે જેમાં અમારી આજ્ઞારૂપી જ વ્યવહાર છે, બીજો કોઈ વ્યવહાર નથી.

(પા.૮)

જ્યાં શુદ્ધ વ્યવહાર નથી, વ્યવહારનું ફાઉન્ડેશન (પાયો જ) નથી, ત્યાં નિશ્ચય જેવી કોઈ વસ્તુ જ નથી. નિશ્ચય શુદ્ધ હશે તો વ્યવહાર જલદી શુદ્ધ થશે. નહીં તો વ્યવહાર, નિશ્ચયને લક્ષમાં રાખીને શુદ્ધ કરવો પડશે.

‘અક્રમ વિજ્ઞાન’ એટલે શું ? શુદ્ધ નિશ્ચય અને શુદ્ધ વ્યવહાર. ‘અક્રમ’ માર્ગ ક્યારે કહેવાય ? જેમાં વ્યવહાર-નિશ્ચય બન્ને હોય ! સમુદ્ર જેવો અજ્ઞાન સંસાર છે ! અને એમાં જન્મે છે ને મરે છે ! તેમાં ‘નિશ્ચય-સ્વરૂપ’ પોતાનું સમજી જાય તો કામ થઈ જાય !

જ્ઞાનીના શબ્દોના અર્થ-ભાવાર્થ-પરમાર્થ

પ્રશ્નકર્તા : એટલે શબ્દો જેટલા દેખાય છે એટલા સાદા નથી હોતા, અંદર બહુ રહસ્ય હોય છે.

દાદાશ્રી : હા, નર્યા અર્થના જ ભરેલા છે આ શબ્દો બધા. એ ઉપરનો અર્થ કરવાનો નહીં. એનો પરમાર્થ મહીં રહ્યો છે અંદર. પણ તે કેટલાય પડ જાય ત્યારે પરમાર્થ પ્રાપ્ત થાય. આ તો લોકોને અર્થ સમજાય નહીં તો પરમાર્થ તો ક્યારે સમજાય ?

શબ્દનો ભાવાર્થ કોઈ સમજતા નથી. શબ્દનો ભાવાર્થ સમજે તો મુમુક્ષુ કહેવાય અને શબ્દનો પરમાર્થ સમજે તો જ્ઞાની કહેવાય.

શાસ્ત્ર એ શબ્દ છે, એના અર્થ ખૂલતા ખૂલતા એનો અર્થ થાય છે. શબ્દનો અર્થ એટલે શબ્દાર્થ થાય છે. પછી એ અર્થ આગળ વધે છે ત્યારે એ અર્થ ખૂલતા ખૂલતા પરમાર્થને પહોંચે છે. ત્યાં સુધી દ્રષ્ટિ પહોંચી જાય છે.

જે શબ્દ છે તે પરમાર્થ સ્વરૂપ છે. પણ લોકો તો તેના અર્થને સમજે. પરમાર્થને સમજે નહીં ને ! લોક ક્યાં સુધી પહોંચે બહુ ત્યારે ? એના અર્થને. પણ પરમાર્થને પહોંચવું એ બહુ મોટી વાત છે. એના એ શબ્દમાં જ પરમાર્થ છે. એનો જે છેલ્લામાં છેલ્લો અર્થ, એની આગળ બીજો અર્થ ન થાય એવો પરમાર્થ.

એથી આગળ કોઈ અર્થ જ નથી. અને આ જગત અર્થનો અર્થ, અર્થનો અર્થ, અર્થનો અર્થ કર્યા કરે. પરમાર્થની વાતો હોતી નથી. પરમાર્થ એટલે છેલ્લી વાત. પરમ અર્થ, અર્થનોય પરમ અર્થ એ પરમાર્થý.

તારણ કાઢતા જડે પરમાર્થ

પ્રશ્નકર્તા : એ પરમાર્થ મને હજી નથી સમજાતો.

દાદાશ્રી : આ જગતના બધા શબ્દોનો અર્થ અને તેનો પરમાર્થ શું ? ત્યારે કહે, આત્મા. એ બીજી જગ્યાએ પરમાર્થ વાપરવામાં આવે છે એ છે તે રેગ્યુલારિટી નથી. આત્મા સિવાય પરમાર્થ વસ્તુ આ દુનિયામાં કોઈ નથી. પછી આ તો ધર્મના કારણોને પરમાર્થ કરે છે આ આમતેમ માનીને લોકોએ આગળ ચાલુ કર્યું.

પ્રશ્નકર્તા : પરમાર્થે પહોંચવું એનું નામ આત્માર્થ.

દાદાશ્રી : સમજમાં પૂરું આવી જાય એનો અર્થ પરમાર્થ થાય છે. એટલે આ બધું ફરી ફરી બોલ બોલ કરવાનું. અર્થમાંથી પડ પર પડ કાઢીએ તોય અર્થનો અર્થ. છેલ્લું પડ નીકળે ત્યારે પરમાર્થ થાય.

પરમાર્થ તો... જ્ઞાની પુરુષ અર્થના ઉપરના પડ ઉખાડતા ઉખાડતા જ્યારે અર્થનો પરમાર્થ થાય ત્યારે સાચી વાત છે. અર્થનો જ પરમાર્થ થાય ને પણ તે અર્થ લોકો સમજતા સમજતા, પડ ઉખાડતા ઉખાડતા છેવટે પરમાર્થ થઈને

(પા.૯)

ઊભું રહે. અને જ્ઞાની પુરુષની વાણી પરમાર્થની હોય બધી.

પરમાર્થ એટલે જેની આગળ કંઈ જાણવાનું ના રહ્યું, અર્થનો પરમ અર્થ. આ બધા અર્થ છે ને, તેનો પરમ અર્થ જ્યારે પામે ત્યારે છેલ્લું આવી ગયું, ફુલ સ્ટોપ. આત્માને પરમાર્થ કહેવાય. તેથી કૃપાળુદેવે પરમાર્થ સમકિત કહ્યું ને !

જ્ઞાનીના વાક્યો પર જો અહોભાવ થાય, તો પરમાત્મા થાય ! જ્ઞાનીના વાક્યો પર અહોભાવ કરો. એ વાક્ય ઓહોહોહો ! કેટલી બધી, કેટલા અર્થથી એ થયેલું હોય ને કેટલી જાતના (ભાવાર્થ) એ કરતું હોય ! એ વાક્ય કંઈ જેવું તેવું કહેવાય ! આવા વાક્યો એકાદ-બે-ચાર તો બોલ.

ભગવાને શું કહ્યું ? ‘આ જ્ઞાન મૂક્યું છે એનો અર્થ તું સમજીશ નહીં, તો પરમાર્થ ક્યારે સમજીશ ?’ આત્મા તો પરમાર્થ સ્વરૂપ છે. અર્થનો અર્થ, એનો અર્થ, એ જ તારણ છેલ્લે કાઢે ત્યારે પરમાર્થ જડે, એ આત્મા.

અર્થ જ્યારે પરમાર્થ થાય ત્યારે કેવળજ્ઞાન કહેવાય. જેના પછી અર્થ રહ્યો જ નહીં, એનું નામ પરમાર્થ.

ચરણ વિધિમાં સમાયું સમ્યક્ જ્ઞાન

આત્મા શું અને આ અનાત્મા શું એ બધું ચરણ વિધિમાં લખેલું છે ને, તે બધું સમ્યક્ જ્ઞાન છે. તે સમ્યક્ જ્ઞાન અંદર રહેવું જોઈએ આપણે. બેઉ જુદું જુદું, આ પરપરિણતિ, આ સ્વપરિણતિ. આ ચરણ વિધિમાં લખ્યું છે ને, તે પરિણતિ દેખાડવા માટે. આના પરથી પરિણામ ખબર પડે કે આ પરિણામ શાનું છે. એ સમ્યક્ જ્ઞાન કહેવાય.

પ્રશ્નકર્તા : સ્વપરિણતિ એટલે શું ?

દાદાશ્રી : સ્વપરિણતિ એટલે પુદ્ગલના પરિણામને પરપરિણામ માનવા અને પોતાના પરિણામને પોતે પોતાના માનવા, એ સ્વપરિણતિ.

આ જે થઈ રહ્યું છે તેને કહે છે કે ‘હું કરી રહ્યો છું’ તે પરપરિણતિ. આ જે કંઈ થઈ રહ્યું છે તે ‘હું કરતો નથી’ તે નિજપરિણતિ. કર્તાપદને પરપરિણતિ કહેવાય અને જ્યાં પરપરિણતિ નથી ત્યાં સ્વપરિણતિ છે.

આ જ્ઞાન આપતા પરપરિણતિ બંધ થઈ જાય. તમે ‘સ્વપરિણતિ’ તરફ જઈ રહ્યા છો (મહાત્માઓને). પહેલી ‘વસ્તુ’ની પ્રતીતિ બેસે ‘જ્ઞાની પુરુષ’ની કૃપાથી, પછી પ્રતીતિ આગળ વધતી વધતી સંપૂર્ણ દર્શનમાં પહોંચે. સંપૂર્ણ દર્શનમાં પહોંચે એવું આ ‘અક્રમ જ્ઞાન’ છે. ત્યાર પછી ‘સ્વપરિણતિ’ શરૂ થાય. ‘વસ્તુ’માં જ્યારે પુરુષાર્થ જાગે, ‘વસ્તુ’નો સ્વાભાવિક પુરુષાર્થ જાગે, ‘વસ્તુ’ સ્વરૂપે થાય, ત્યારે ‘સ્વપરિણતિ’ ઉત્પન્ન થાય. સ્વપરિણતિ એ અલૌકિક વસ્તુ છે. લૌકિકમાં જોવામાં કે સાંભળવામાં નથી આવે એવી આ વસ્તુ છે !

જેને આ બહારના પરપરિણામ ગમતા નથી, ‘યૂઝલેસ’ (નકામા) લાગે છે ને તેને પોતાના સ્વપરિણામ માનતો નથી તે જ આત્માની હાજરી છે, તે જ સ્વપરિણતિ છે.

આ કયા દ્રવ્યના પરિણામ છે તે સમજી લેવાનું. પુદ્ગલ દ્રવ્યના કે ચેતન દ્રવ્યના પરિણામ છે તે સમજી લેવાનું. ચાંચ બોળતાની સાથે જ પરપરિણામ ને સ્વપરિણામ છૂટા પડવા જોઈએ.

પ્રશ્નકર્તા : દાદાજી, આપને ચરણે વિધિ કરીએ છીએ તેનો શો અર્થ ?

દાદાશ્રી : આ ચરણે વિધિ અંદર આત્માને દેહથી જુદો પાડે છે અને અંતરસુખ, સ્વયંસુખ

(પા.૧૦)

ઉત્પન્ન થાય છે, બધી નિર્બળતાઓ જતી રહે. જ્ઞાનીના ચરણમાં ગજબની શક્તિ હોય !

શુદ્ધાત્મા પદ પછી ગુણો પ્રગટ થાય

પ્રશ્નકર્તા : હવે આ ચરણ વિધિમાં જે બોલાય કે ‘હું શુદ્ધાત્મા છું’ ને ‘અનંત જ્ઞાનવાળો છું’, એ બધું શેમાં જાય ?

દાદાશ્રી : ચરણ વિધિ આત્મપક્ષમાં જાય.

આપણે વિધિ વખતે બોલીએ છીએ કે ‘હું શુદ્ધાત્મા છું.’ તો પછી શુદ્ધાત્માનું રક્ષણ કરવાનું કે બીજી બાજુનું ? ‘હું શુદ્ધાત્મા છું’ બોલો તો છો, તો પછી એવા જ પદમાં રહેવું છે ને ? એના માટે તો અહંકાર ધોવડાવવો પડશે. તનતોડ મહેનત કરી નિશ્ચય કરો એટલે ધોવાય જ.

એક વાઘરીને રાજા બનાવ્યો હોય અને ગાદી પર બેઠા પછી જો એમ કહે કે ‘હું વાઘરી છું’, તે કેવું કહેવાય ? ‘શુદ્ધાત્મા’નું પદ પામ્યા પછી બીજું હવે આપણને ના હોય.

કોઈ માણસ છે તે જેલમાંથી છૂટીને વડાપ્રધાન થયો, તે થયા પછી ભૂલે નહીં ને રાત-દહાડો કે હું વડોપ્રધાન છું, ના ભૂલે ને ? તે ભૂલે નહીં એટલે એનું કામેય ચૂકે નહીં. કોઈ પ્રશ્ન પૂછે ને, તો ‘હું વડોપ્રધાન છું’ એવું સમજીને જ જવાબ આપે. એટલે આપણે શુદ્ધાત્મા થયા ને, તો આપણે શુદ્ધાત્મા સમજીને જ જવાબ આપવાનો. જે થયા તે રૂપનું છે આ, સમજી જાવ. બહાર કર્મના ઉદય જોર કરે તે જુદી વસ્તુ છે, તે તો વડાપ્રધાનનેય જોર કરે. કર્મના ઉદયે કોઈ ઢેખાળો મારે, કોઈ ગાળો ભાંડે. એ તો બધું કર્મના ઉદય તો એમનેય છે ને, પણ એ એમની વડાપ્રધાન તરીકેની ફરજ બજાવે; એવી આપણે શુદ્ધાત્માની ફરજ બજાવવી પડે. એથી કરીને પોતે ‘ચંદુભાઈ છું’ એ બધું ભૂલી ના જાય. એમ કંઈ ભૂલે પાલવે ? બધું લક્ષમાં જ હોય ને !

‘હું ચંદુલાલ છું’ ત્યાં સુધી બધું કડવું લાગે, પણ આપણને તો આ બધું અમૃત થઈ પડ્યું છે. માન-અપમાન, કડવું-મીઠું એ બધા દ્વંદ્વ છે. તે હવે આપણને ના રહે. આપણે દ્વંદ્વાતીત છીએ. એટલા માટે તો આ સત્સંગ કરીએ છીએ ને !

આ તમને ‘શુદ્ધાત્મા’ ‘અમે’ આપ્યો છે તે ‘ફર્સ્ટ સ્ટેપ’ છે. એની આગળ તો ઘણું છે. પછી શુદ્ધાત્માનું સ્વરૂપ એના ગુણ સાથે પ્રગટ થાય !

ચરણ વિધિથી વધારે છૂટાપણું વર્તે

પ્રશ્નકર્તા : ચરણ વિધિ આપણે બોલ બોલ કરીએ તો આપણને આત્માના અને અનાત્માના ગુણધર્મો ખબર પડ્યા કરે.

દાદાશ્રી : હં...

પ્રશ્નકર્તા : એટલે જ્યારે કોઈ પણ પ્રસંગ આવે, અનુરૂપ પ્રસંગ આવે ત્યારે આપણને ખબર પડે કે આપણે છૂટા છીએ. (એ ટકાવી રાખવા) આ ગુણધર્મો ગા ગા કરે તો ચાલે ?

દાદાશ્રી : એવું છે ને, એ ચરણ વિધિ કરતો હોય ને, ત્યારે વધારે છૂટાપણા જેવું લાગે. પણ જેણે ચરણ વિધિ એકુંય વખત ના બોલી હોય પણ આ આત્મા પ્રાપ્ત કર્યો હોય ને, એ પણ માંદગીમાં છૂટો રહે. ત્યારે એને ખબર પડે કે ‘હું જુદો છું.’ એ સ્વભાવ છે. આમાં તન્મયાકાર પરિણામ ના થાય. અને પેલું રોજ એ (ચરણ વિધિ) કરતો હોય તેને તો વધારે પરિણામ આવે, ઊંચું પરિણામ આવે. પણ આ માંદગી એકલામાં છૂટો રહે, કશું ના કરતો હોય તોયે. આ જ્ઞાન આપેલું, તે છૂટું પડ્યું છે, તેનો અનુભવ માંદગી એકલામાં થાય. છે છૂટું જ, પણ આ તો શા માટે આવું બોલવું પડે

(પા.૧૧)

છે ? પેલા બીજા ડિસ્ચાર્જના પરિણામ આવે છે, તેનાથી બધું મહીં એ થઈ જાય પાછું, ગૂંગળામણ, તે આ બધું બોલવાથી ઊડી જાય હડહડાટ. પછી ચોખ્ખું ને ચોખ્ખું રહ્યા કરે.

ઓળખીએ આત્માના ગુણ-સ્વભાવ

પ્રશ્નકર્તા : દાદા, આત્માના ગુણો કેમ અનુભવાય ?

દાદાશ્રી : આ તમે આત્માના ગુણો અનુભવો છો ને, જ્ઞાન લીધા પછી !

પ્રશ્નકર્તા : હા, હા. એટલે આમ કયો ગુણ ?

દાદાશ્રી : એટલે આમ નિરાકુળતા નામનો ગુણ. આકુળ નહીં, વ્યાકુળ નહીં. નિરાકુળતા નામનો એક અષ્ટમાંશ ભાગ, જે સિદ્ધનો ગુણ છે તે અહીં આગળ વર્તે છે. નિરાકુળતા ! પછી અનંત જ્ઞાન, કોઈ પણ વસ્તુ મૂંઝવે નહીં. તમને જ્ઞાન હાજર થઈને તે ખબર આપે. અનંત દર્શન, કોઈ વસ્તુ તમને અડચણ ના કરે. ત્યારે સમજણ ઊભી થઈને નિકાલ કરી નાખે. અનંત શક્તિ, ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ સમભાવથી નીકળી જાવ, ચિંતા-વરિઝ કર્યા વગર.

પ્રશ્નકર્તા : જ્ઞાન પછી આત્માના ગુણોનું ધ્યાન વધારે કેવી રીતે કરાય ?

દાદાશ્રી : પોતે આત્મા થઈ ગયો, પણ પોતાના ગુણોનું ધ્યાન ધરે; અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત સુખ, આ બધા ગુણોનું ધ્યાન ધરે, એ ધ્યેયની મહીં રહે, બોલે એટલે ધ્યાન ઉત્પન્ન થાય.

પ્રશ્નકર્તા : આત્માનો સ્વભાવ એટલે શું ?

દાદાશ્રી : આત્માનો સ્વભાવ, ભાવ એટલે અસ્તિત્વ. સ્વભાવ એટલે સ્વનું અસ્તિત્વપણું. એટલે જોવા-જાણવાનો એનો સ્વભાવ. ત્યારે એનું ફળ શું ? ત્યારે કહે, પરમાનંદ, બસ ! એ સાથે જ છે બધું. જોવું-જાણવું ને પરમાનંદ. આત્માનો સ્વભાવ જ એવો છે કે એને જાણ્યો કે તરત ફળ આપે.

તેરસ-ચૌદસે ગુણ, પૂનમે સ્વભાવ

પ્રશ્નકર્તા : આ અનંત દર્શનવાળો, અનંત શક્તિવાળો આ બધા આત્માના ગુણો કહેવાય અને હું મારા સ્વ-સ્વભાવવાળો શુદ્ધાત્મા છું, તો એ સ્વભાવ અને આ ગુણ એમાં શું ફેર છે ?

દાદાશ્રી : ગુણ જુદા જુદા બોલવા પડે. સ્વભાવ એક જ બોલે તો બધાય (ગુણો) આવી ગયા મહીં.

પ્રશ્નકર્તા : પણ દાદા, આ ના સમજાયું. સ્વભાવ અને ગુણ, આ તો બોલવાની વાત થઈ પણ એ ગુણ કોને સ્પર્શે છે અને સ્વભાવ કોને સ્પર્શે છે ?

દાદાશ્રી : ગુણો બધા જુદા જુદા બોલાય, ભેગા નહીં. (એને) ભેગા કરીએ એટલે સ્વભાવ કહેવાય. ગુણો બે થયા હોય ને એક ત્રીજો ના પણ થયો હોય, ત્યાં સુધી સ્વભાવ કહેવાય નહીં. સ્વભાવ ક્યારે કહેવાય ? પૂર્ણ દશાએ. સ્વભાવ એટલે ફુલ (પૂર્ણ) દશા. એટલે બધા ગુણો ભરાઈ જાય ત્યારે એ સ્વભાવ કહેવાય, પણ છતાં ગુણનું નામ દેવું હોય તો નામ દેવાય. છૂટા કહેવા હોય તો ગુણ કહેવાય અને જથ્થાબંધ કહેવું હોય તો સ્વભાવ કહેવાય.

પ્રશ્નકર્તા : એક ગુણ, ધારો કે ‘અનંત જ્ઞાન’, એનામાં પૂરો આવી ગયો, તો બધા આવી જ જાય ને, દાદા ?

દાદાશ્રી : ના, બધા જ આવી જવા જોઈએ.

(પા.૧૨)

એક-બે ગુણો હોય ને જ્યાં સુધી, ત્યાં સુધી સ્વભાવમાં ના કહેવાય એ.

તેરસ હોય ત્યાં સુધી ગુણ કહેવાય, ચૌદસ હોય ત્યાં સુધી ગુણ કહેવાય અને પૂનમ હોય ત્યારે ગુણ ના કહેવાય, સ્વભાવ કહેવાય. ચૌદસને દહાડે સ્વભાવ ના કહેવાય. પૂનમને દહાડે સ્વભાવ કહેવાય કે ચંદ્ર એના સ્વભાવમાં આવી ગયો. પછી ચૌદસ છે, તેરસ છે એવું તેવું ના બોલીએ તો ચાલે અને જો બોલીએ તો ચાલેય નહીં. લોકો એ એક્સેપ્ટ ના કરે ને ! (કારણ કે) એ સ્વભાવ કહેવાય.

મમતા ફક્ત આત્માના ગુણો ઉપર

પ્રશ્નકર્તા : આત્માના ગુણો બોલવાનું કહ્યું ને, તે વિશે વધારે સમજવું છે.

દાદાશ્રી : કોઈ જગ્યાએ મમતા કરવા જેવી નથી આ દુનિયામાં. હું કહું છું, આત્માને જાણો અને આત્મા જ તમારો (તમારું સ્વરૂપ) છે, ને તમારે એના ગુણોની મમતા કરવાની છે. હું અનંત જ્ઞાનવાળો છું, હું અનંત દર્શનવાળો છું, હું અનંત શક્તિવાળો છું, હું અનંત સુખનો કંદ છું, અવ્યાબાધ છું, અમૂર્ત છું, સૂક્ષ્મ છું, અગુરુ-લઘુ છું, ટંકોત્કીર્ણ છું. કેટલા ગુણો છે એને ! એ એની મમત્વ છે.

પ્રશ્નકર્તા : આત્માનું મમત્વ ?

દાદાશ્રી : હા, મારા ગુણ એટલે મમત્વ ના હોય, પણ ‘હું આ છું’ કહીએ તો આ મમતા ક્યાં જાય ? ત્યાં જતી રહે એની જોડે જ. અને પછી મોક્ષે જતી હોય તો એય ઊડી જાય, ફક્ત તે એક જ સ્વરૂપે ! હું શુદ્ધાત્માયે પછી બોલવું ના પડે.

પ્રશ્નકર્તા : પોતે આત્માના ગુણધર્મ, અનંત જ્ઞાન-દર્શન તેવું ધ્યાન કરે તો પ્રાપ્ત થાય ?

દાદાશ્રી : થાય, અવશ્ય થાય. આત્માના ગુણો જેટલા જાણ્યા તેટલાનું ધ્યાન કર્યું તો તેટલા પ્રાપ્ત થાય.

અમે જ્ઞાન આપીએ છીએ, તે મન-વચન-કાયા (તે હું છું એવું) તમને ક્યારેય યાદ ન આવે તેવી રીતે આપીએ છીએ. ‘હું શુદ્ધાત્મા છું’ તેની જોડે એનો એક-એક ગુણ ગાતા જશો તો ભયંકર (અદ્ભુત) પરિણામ આવશે. જેમ કે હું શુદ્ધાત્મા છું, અવ્યાબાધ છું, અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રવાળો છું, અક્રિય છું, અડોલ છું, અમર છું.

આત્મા રત્નચિંતામણિ, ચિંતવે તેવો થાય

પ્રશ્નકર્તા : ‘હું અનંત શક્તિવાળો છું, અનંત દર્શનવાળો છું, અનંત જ્ઞાનવાળો છું, હું અનંત સુખનું ધામ છું’ તો એ અંદરથી જે બોલીએ છીએ, તો એ શક્તિ ક્યાંથી ઉત્પન્ન થાય છે ? કેવી રીતે વધારી શકાય ?

દાદાશ્રી : તમે અનંત દુઃખનું ધામ બોલો તો દુઃખી થઈ જાવ. અનંત સુખનું ધામ બોલો તો સુખી થઈ જાવ. આત્મા રત્નચિંતામણિ છે. જેવો ચિંતવે તેવો થઈ જાય. ‘અનંત જ્ઞાનવાળો છું’ એટલે બધું જ્ઞાન પ્રકાશમાન થઈ જાય. અનંત સુખનું ધામ છું. પોતે બધા સુખનું ધામ છે એવો તાળો મળે તો એ જ્ઞાન કહેવાય. તાળો ના મળે ? જ્યાંથી-ત્યાંથી તાળો મળવો જોઈએ. હિસાબમાં ગણીએ ત્યારે મહીં તાળો મેળવીએ છીએ કે નથી મેળવતા ? એમાં તો એક-બે તાળા હોય પણ આમાં તો બહુ તાળા હોવા જોઈએ. દરેક વાતમાં તાળો મળવો જોઈએ.

પોતાની પાસે અનંત શક્તિ છે પણ આવરાયેલી પડી છે ને અનંત જ્ઞાન, અનંત દર્શન પોતાની પાસે છે પણ ઉપર આવરણ પડ્યા છે. ઘરમાં ધન દાટ્યું હોય પણ જાણતા ન હોય તો શી રીતે મળે ?

(પા.૧૩)

દર્શન ગુણની ભજનાએ ઉપજે સૂઝ

પોતે પરમાત્મા ને છૂપાઈ ક્યાં સુધી રહેવું ? પોતાના જ ઘરમાં ભરપૂર માલ, છતે માલ અનંત જ્ઞાન-દર્શન-શક્તિ, અનંત સુખ પોતાના ઘરમાં હોય છતાં તે ન વાપરે તો કોનો દોષ ? ભરેલો માલ તો ફળ આપીને જશે. પણ જ્ઞાન છે ને સૂઝ છે તો પછી સફોકેશન ક્યાંથી ?

એટલે જે ઉપાય બતાવ્યા એ ઉપાય કરવા પડે બધા, તે લખ્યા છે. તેમાં શું ઉપાય મેં બતાવ્યા છે, તે વાંચો જોઈએ !

પ્રશ્નકર્તા : જ્યારે ગડમથલ થાય, આમ તંગ તોફાન થવા માંડે એકદમ, તે વખતે દાદા ભગવાનનું અક્રમ જ્ઞાન હાજર થઈ જશે. કંઈક ગૂંગળામણ થાય, સૂઝ ના પડે, ડખોડખલ કે એવું થાય, તે વખતે ‘હું અનંત દર્શનવાળો છું, હું અનંત દર્શનવાળો છું, હું અનંત દર્શનવાળો છું’ એમ બોલો પાંચ-પચ્ચીસ વખત અને તરત જ સૂઝ પડવા માંડે કે આનો ઉકેલ કેમ લાવવો.

દાદાશ્રી : હા, અતિશય મૂંઝવણમાં આશરો કોનો ? દર્શનનો. ‘હું અનંત દર્શનવાળો છું, હું અનંત દર્શનવાળો છું’ પાંચ-પચ્ચીસ-પચાસ વખત બોલી નાખવું, દાદાનો ફોટો સામે રાખીને. એટલે પછી તરત જ સૂઝ પડી જશે, તરત જ.

મૂંઝામણ થાય ત્યારે ‘અનંત દર્શનવાળો છું, અનંત દર્શનવાળો છું’ બોલે તો બધી મૂંઝામણ (મૂંઝવણ) નીકળી જાય.

ગુણોની ભજનાથી તૂટે આવરણ

પ્રશ્નકર્તા : કંઈ પણ પ્રોબ્લેમ ઊભો થાય ત્યારે સમજણ પડતી ન હોય, જ્યારે મતિ મૂંઝાવે વ્યવહારે, ક્યાંક એવો વ્યવહારિક પ્રસંગ આવી પડે અને સમજણ ન પડે ત્યારે ‘હું અનંત જ્ઞાનવાળો છું, અનંત જ્ઞાનવાળો છું, હું અનંત જ્ઞાનવાળો છું’ જોરજોરથી બોલે એટલે બધા પરમાણુ નીકળે. એકદમ સૂઝ પડવા માંડે, તરત જ, તે વખતે.

દાદાશ્રી : આવરણ આવ્યું હોય, તે ઊડી જાય બધું.

પ્રશ્નકર્તા : બધા વાદળા હટતા જાય.

દાદાશ્રી : પોતાના ગુણો બધા બોલવા જોઈએ. સ્વાભાવિક ગુણો છે એ. ‘હું અનંત જ્ઞાનવાળો છું, હું અનંત દર્શનવાળો છું’ એવું પચ્ચીસ-પચાસ વખત બોલવું જોઈએ. રોજ એ બધા ગુણો બોલવાનો અભ્યાસ કરવો જોઈએ.

ન શરત ભાવની, જરૂરિયાત બોલવાની જ

પ્રશ્નકર્તા : આપણે ચરણ વિધિ કરતી વખતે બોલીએ છીએ કે ‘હું અસંગ છું, હું અરૂપી છું, હું અક્ષય છું, હું અમૂર્ત છું’, તો તે બોલીએ તે વખતે એવા ભાવ મહીં ઉત્પન્ન થવા જોઈએ ? તો જ એ બરાબર કહેવાય ને ?

દાદાશ્રી : એના ભાવ કરવાની જરૂર નથી, ખાલી બોલવાની જ જરૂર છે.

પ્રશ્નકર્તા : બોલવાની જરૂર છે પણ ભાવ થાય તો ?

દાદાશ્રી : ભાવ થાય તો વાંધો નહીં. એ છે તો વધારે એ (સારી રીતે) થાય, બાકી એકનું એક જ. એ બોલવાની જરૂર છે ખાલી. આ તો સંગી બોલે છે કે ‘અસંગ છું’, એટલે અસંગ થવા માટેનો એનો પુરુષાર્થ છે. આત્મા તો નિરંતર અસંગી જ છે.

દહાડામાં પાંચ વખત બોલવું કે ‘હું શુદ્ધાત્મા છું. મને કશું અડે નહીં આમાંનું. નિર્લેપ છું, અસંગ છું.’

(પા.૧૪)

ચરણ વિધિનો વચલો ભાગ-‘સિદ્ધ સ્તુતિ’

પ્રશ્નકર્તા : જાગૃતિ કાચી પડી જાય ત્યાં શું કરવાનું ? પ્રતિક્રમણ કરવાનું કે નિશ્ચય કર્યા કરવાનો ?

દાદાશ્રી : ચરણ વિધિ છે ને, એમાંથી સિદ્ધ સ્તુતિ કરવી. એ ચરણ વિધિમાંથી અમુક અમુક શબ્દ કાઢી નાખવાના, ‘હું કરું છું’ એ બધું અને બીજી બધી રહી એ સિદ્ધ સ્તુતિ, એ બોલવી.

ચરણ વિધિમાં ચરણ વિધિ ને સિદ્ધ સ્તુતિ બેઉ ભેગા છે. પુષ્ટિ એટલે મજબૂત બનાવે, એ જેમ જેમ વાંચે તેમ તેમ.

સિદ્ધ સ્તુતિ રોજ કરવી જ જોઈએ. એ સ્તુતિ કરવાની છે, આપણે સિદ્ધ થવું છે (માટે). જે થવું હોય તે સ્તુતિ કરો. ચંદુભાઈને કરાવડાવવાની, આપણે તો થઈ ગયા છીએ. આપણે પ્રજ્ઞાએ તો કરાવડાવવાની ચંદુભાઈને, હુંને કહીએ, ‘તમે કરો ને અમારા જેવા થાવ. પછી તમેય છૂટા ને અમેય છૂટા. સરખે સરખી ભાગીદારી આપણી. તમે પુદ્ગલ સ્વભાવના, અમે ચેતન સ્વભાવના.’

આમાંય તમારે બોલાવવાનું ચંદુભાઈને. બોલો, ‘હું શુદ્ધાત્મા છું.’ એટલે એનો પડઘો પડે. અને હું બોલતો હતો તેવી રીતે બોલાવડાવવાનું. ફાવશે કે નહીં ફાવે ? કે હું બોલાવડાવું ? રોજે રોજ હું બોલાવડાવવા આવું કે ? તમે બોલાવડાવશો ને ?

અમે સિદ્ધ સ્તુતિ કરી’તી ને, તે આવડે કે ના આવડે બધાને ?

પ્રશ્નકર્તા : આવડે ને !

દાદાશ્રી : એ પચ્ચીસ-પચ્ચીસ વખત એ (વાક્યો) ‘અનંત જ્ઞાનવાળો છું, અનંત દર્શનવાળો છું, અનંત શક્તિવાળો છું, અનંત સુખધામ છું,’ અને બીજા પછી પાંચ-પાંચ વખત બધા. એમ કરીને પૂરું કરો. જેવી રીતે આવડે તેવી રીતે, એનો કશો વાંધો નહીં. તમતમારે કરો ને ! હું બેઠો છું, જાતે બેઠો છું ને પાસ મારે કરવાના છે ને ! તમને આવડે એવી રીતે કરો. કારણ કે તમારી ભૂલ થાય, એ મૂળ તો મારી જ ભૂલને !

પ્રશ્નકર્તા : ભૂલ નહીં થાય, દાદા. ભૂલ કેમ થાય ?

દાદાશ્રી : હા, ભૂલ થાય વખતે કો’કની પણ મૂળ તો મારી જ ભૂલને. મેં એને શીખવાડ્યું નહીં, તેથી ભૂલ થઈને !

હવે બધા આંખો મીંચીને ‘હું અનંત જ્ઞાનવાળો છું’ એ જો પચ્ચીસ વખત નહીં, સો વખત બોલાય તો બોલજો. ત્યાંથી શરૂ, પહેલું બોલો...

પ્રશ્નકર્તા : અંદર જ બોલવાનું છે ને ?

દાદાશ્રી : અંદર જ બોલવાનું. પણ પહેલું શું બોલવાનું, કે ‘હું ચંદુલાલ, મન-વચન-કાયાનો યોગ, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મથી ભિન્ન હે પ્રગટ શુદ્ધાત્મા ભગવાન ! હું અનંત જ્ઞાનવાળો છું...’ તે કોણ ? હું કાલે બોલાવતો હતો ને તમે બોલતા હતા. આજે તમે બોલાવો ને ચંદુલાલ બોલે. કોણ બોલાવે ? જોનારા ‘તમે’ અને બોલનારા આ ચંદુલાલ. ચાલો, હવે શરૂ કરી દેશો.

પ્રશ્નકર્તા : સિદ્ધ સ્તુતિ કરાવે ત્યારે શું અનુભવ થવો જોઈતો’તો ?

દાદાશ્રી : કશુંય નહીં. (કશોય) અનુભવ થવો જ ના જોઈએ ને ! આત્મારૂપ થઈ ગયા પછી બીજો શું અનુભવ થવો જોઈએ ? પણ સિદ્ધ સ્તુતિનું ફળ તરત જ મળે એવું છે. મળ્યા વગર રહે જ નહીં. એ તો મળી જાય તરત. એટલે પછી

(પા.૧૫)

અમારે કહેવાનું ના હોય કે ભઈ, તમને મળ્યું કે ના મળ્યું ?

સિદ્ધ ભગવાનના ગુણોની ભજના કરે તો શુંનું શું પ્રાપ્ત થાય એવું છે !

સિદ્ધ સ્તુતિની રમણતાથી તૂટે અંતરાયો

પ્રશ્નકર્તા : ‘સર્વ અંતરાયો તૂટે સિદ્ધ આત્મરમણામાં !’ એ સમજાવો.

દાદાશ્રી : હા, આત્માની જે સિદ્ધ સ્તુતિ, તે સિદ્ધ સ્તુતિ રમણતામાં બધાય અંતરાય તૂટી જાય.

આત્મા સિદ્ધ જ છે અને એની સિદ્ધ સ્તુતિ જો બોલીએ, જો રમણા થાય તો બધું ઊડી જાય. એ આત્મરમણામાં બધાય અંતરાય તૂટે, ભગવાન જ થઈ ગયો.

આત્મગુણોની ભજનાથી સ્વરૂપ સ્થિરતા

આ તો વિજ્ઞાન છે. આપણે બધા પૂરેપૂરું વિજ્ઞાન હજુ સમજી લેતા નથી. પદ્ધતિસર સમજી લેવામાં આવે ને, તો વિજ્ઞાન એટલે ફળ જ આપ્યા કરે. વિજ્ઞાન એટલે ફળ આપે જ. કૅશ બેંક જ છે, પણ સમજી લેવાની જરૂર છે. જે આત્મા(નું લક્ષ) આપણને કરોડો ઉપાયે પ્રાપ્ત ના થાય, તે આપણને હાજર થયું અને તેય કલાકમાં હાજર થયું, તે આ વિજ્ઞાન કેવું ? એક કલાકમાં હાજર થઈ ગયું અને અત્યારે રાત્રે જાગો ત્યારે ‘હું શુદ્ધાત્મા છું’ એ સામું આવે ઊલટું. સામું નથી આવતું ?

પ્રશ્નકર્તા : આવે છે.

દાદાશ્રી : નહીં તો ‘શુદ્ધાત્મા’ યાદ કરીએ તોય જડે નહીં પણ આ તો સામું આવે છે, તો આ વિજ્ઞાને જ્યારે આટલો બધો સાક્ષાત્કાર કર્યો, તો પછી બીજું બધું કેમ ન થાય ? પણ સમજી લેવાની જરૂર છે. જે આત્માના ગુણો છે ને, તે આખો દહાડો નવરાશ હોય ત્યારે નિરંતર બોલ બોલ જ કરવા જોઈએ ખરી રીતે. નવરાશ ના હોય પણ આવી અડચણ આવે ત્યારે બોલવા. પૂઠિયું કાચું હોય ત્યાં સુધી વેદકતા આવવાની જ અને તે ખૂબ જ પ્રમાણમાં આવે ત્યારે આત્માના ગુણ યાદ કર્યે જ જવા તો વેદકતા નાશ થશે. એવી સ્થિતિમાં શુદ્ધાત્માનું સ્મરણ અને તેના ગુણોનું રટણ કરવું.

આ શુદ્ધાત્મા છે એ જ તમે છો અને એ જ તમારું સ્વરૂપ છે. હવે ત્યાંથી (મૂળ સ્વરૂપથી) તમે અલગ થયા છો તો એ જોઈ જોઈને તમે તે રૂપ થઈ જાવ. એ અક્રિય છે, આવા છે, તેવા છે ! અને એવું સમજી સમજીને તમે તે રૂપ થઈ જાવ. આ તો વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયો છે અને તેમાં આપણી માન્યતા ઊભી થઈ છે. એટલે આ જૂની માન્યતાઓ છે એક જાતની. તે માન્યતાઓ ઘર કરી ગઈ હોય તો માન્યતાઓ કાઢી નાખવી, ખંખેરી નાખવી. આમ કરીને ધૂળ કાઢી નાખીએ એટલે કશું ના રહે. આ તો (ચરણ વિધિ) વાંચવાથી ધૂળ ઊડી જાય બધી. કારણ કે ઘણા કાળથી પેલું ને પેલું જ જોયેલું ને ! એટલે આપણે આ જોઈને તે રૂપ થવાનું છે.

આત્માના ગુણોને યાદ કરવાથી આત્માની દ્રઢતા, નિશ્ચયબળ વધે છે. માટે ગુણો યાદ કરવા. ગુણો યાદ કરવાથી પોતે પોતાની પૂર્ણાહુતિ કરીએ છીએ. આત્માના જેટલા ગુણો છે તેનો વિચાર કરો, મનન કર્યા કરો તો તે ગુણો તમારામાં ઉત્પન્ન થશે. ગુણો કેળવાય, વ્યક્ત થઈ પ્રગટ થાય.

ગુણોની ભજના કરે તો સ્થિરતા રહે. આ મારું સ્વરૂપ છે અને આ ન્હોય, આ જે થાય છે એ મારું સ્વરૂપ ન્હોય, એવું બોલો તોય ઊંચાનીચાં

(પા.૧૬)

પરિણામ બંધ થઈ જાય, અસર ના કરે. આત્મા શું છે, એના ગુણ સહિત બોલવું, જોવું, ત્યારે એ પ્રકાશમાન થાય.

આત્મગુણોના ધ્યાને ખુલતા જાય પ્રદેશો

પ્રશ્નકર્તા : પોતાના ગુણધર્મ, અનંત જ્ઞાન-અનંત દર્શન તેનું ધ્યાન કરે તો તે પ્રદેશો ખુલ્લા થાય ?

દાદાશ્રી : થાય, અવશ્ય થાય. આત્માના ગુણો જેટલા જાણ્યા તેટલાનું ધ્યાન કરે તો તેટલા આત્માના પ્રદેશ ખુલ્લા થતા જાય, તેમ તેમ જ્ઞાન પ્રકાશે ને તેમ તેમ આનંદ વધતો જાય.

પ્રશ્નકર્તા : દાદા, હવે તો એવું લાગે છે કે શુદ્ધાત્માનું સામ્રાજ્ય હોય ત્યાં કશુંયે આઘુંપાછું થાય નહીં, પેટમાં પાણીય હાલે નહીં. તાવ આવે, દેહ જવાનો થાય, દેહ રહેવાનો થાય તોય મહીં હાલે નહીં. કશી ડખલ જ નહીં ને ! પોતાનું શું જવાનું ? જાય તો પાડોશીનું જાય !

દાદાશ્રી : આત્માને આત્મા થયા પછી હવે જાય તો કોનું જવાનું ? એમાં તમારે તો શું જાય ? તમારા અનંત પ્રદેશોમાંથી પ્રદેશ આઘોપાછો થાય એવું નથી. કારણ કે એના પીસિસ (ટુકડા) થાય એવું નથી કે એને કશો ચેપ અડે એવો નથી. જાય તો ભાગીદારનું જશે, પાડોશીનું. હવે ખોટ કોની જવાની હતી ? હાર્ટ (હૃદય) બંધ થઈ જાય તો પાડોશીનું થાય કે તમારું ?

પ્રશ્નકર્તા : દાદા, આ મહાત્મા બોલે છે પણ એ મને એટલું બધું સહેલું નથી લાગતું.

દાદાશ્રી : સહેલું નથી એ તો, છતાંય સહેલું થશે એક દહાડો. સહેલું તો, એકદમ ક્યાંથી હોય સહેલું ? એકદમ સહેલું હોય ? પણ આ વાત સાંભળતા સાંભળતા સહેલું થઈ જશે. અને નહીં તોય પાડોશીનું જવાનું ને ખરેખરી વાત તો સમજાય એવી છે ને ?

પ્રશ્નકર્તા : નિશ્ચયમાં આ વાત સમજાય જાય છે, પછી વ્યવહારમાં રહે છે બાકી.

દાદાશ્રી : વ્યવહાર એ જ પાડોશી.

આત્માનુભવ વગર શુદ્ધ ઉપયોગ કેમ રહે ?

આ દેહમાં શું શું થઈ જાય તે કશું જ કહેવાય નહીં. આપણા પોતાના પ્રદેશને કંઈ જ થાય તેમ નથી.

એમને એમ આત્મા પ્રાપ્ત થાય એવો નથી. થઈ ગયેલો હોય આત્મા પણ એનો બધો એ અનુભવ તો થવો જ જોશે ને ! એના બધા પ્રદેશો જે અજ્ઞાન માન્યતાથી વેરાયેલા છે છૂટા, તે ભેગા થવા જોઈશે ને !

અનંત પ્રદેશો, એની પર આવરણના જે ડાઘ છે એ ધોવા પડશે ને ? એક પ્રદેશવાળો ઓછો છે ? અનંત પ્રદેશવાળો આત્મા ! એટલે આમ જોડે બેસી બેસીને વાતો કરતા કરતા નિવેડો આવી જાય.

દાદાજીના કહેલા શબ્દો, તેનું લક્ષ રાખું એ બધી જાગૃતિ. એ ચઢતી જાય જાગૃતિ, પણ એને ઉપયોગ ના કહેવાય. કાલે જાગૃતિ સારી રહી એમ કહેવાય, પણ એને કંઈ મૂળ વસ્તુ, ઉપયોગ ના કહેવાય.

પ્રશ્નકર્તા : એટલે મૂળ જગ્યાએ હજુ ઉપયોગ બેઠો નથી ?

દાદાશ્રી : મૂળ જગ્યાએ વસ્તુ ભેગી થવી મુશ્કેલ છે. એ તો જેટલું લક્ષ બેઠું છે એટલું જ એ. એનો અનુભવ થયા વગર તો ઉપયોગ કેમ ઉત્પન્ન થાય ? ‘આ હું છું’ એનું પ્રમાણ સહેજે બદલાવું ના જોઈએ, એના અનંત પ્રદેશો સહિત !

(પા.૧૭)

હજુ તો મહીં માન્યતામાં ભૂલેય થાય વખતે. આ આત્મા હશે કે પેલો હશે ? થોડું થોડું મહીં ભૂલચૂક થાય, ભેળસેળ થઈ જાય.

પ્રશ્નકર્તા : અને પાછી પેલી અસરો મહીં થાય છે ત્યાં સુધી તો ભૂલ ખરી જ ને ?

દાદાશ્રી : હંઅ... એટલે એ મૂળ વસ્તુ જુદી છે. મૂળ વસ્તુ અનંતા પ્રદેશો સહિત બિલકુલ ચોખ્ખી, ક્લિયર છે અને તે પ્રમાણે જ હોય. ત્યાર પછી ઉપયોગ ખરો થાય, શુદ્ધ ઉપયોગ. ત્યાં સુધીનો શુદ્ધ ઉપયોગ છે, એ અંશે થોડોક, હજુ એ અહીં (મૂળ વસ્તુ સુધી) આવેલો જોઈ શકે અને (મૂળ વસ્તુની) આજુબાજુના સર્કલમાં આવેલો જોઈ શકે. એ જાગૃતિ કહેવાય બધી, પણ તદ્દન શુદ્ધ ઉપયોગ ના કહેવાય. શુદ્ધ ઉપયોગ તો બહુ ઊંચી વસ્તુ.

જ્ઞાન સમજવાથી પરિણમશે અનુભવમાં

પ્રશ્નકર્તા : દાદા, કોઈવાર આ વાતો અઘરી લાગે ને, એવું થાય છે કે જો આ બધું નહીં સમજીએ તો આપણો મોક્ષ થશે કે નહીં ?

દાદાશ્રી : આ ભાઈ પર્યાયને ના સમજે, તેથી કંઈ મોક્ષે નહીં જવાના ? ત્યારે કહે, ના, એવું નથી. કારણ કે જ્ઞાની પુરુષના આશ્રયથી જવાનું છે ને ! જાણવા જાય તો કો’ક ફેરો બફાઈયે જાય, એના કરતા અજાણ રહ્યા એ સારું. આ તો આટલુંય સમજાયું છે. પેલા વાક્યો મૂક્યા છે ને બધા. એ વાક્યોને આધારે સમજાયું છે.

પ્રશ્નકર્તા : એમાં એવું છે ને દાદા, આ જ વસ્તુ બોલવાની પણ સમજણપૂર્વક જો બોલીએ...

દાદાશ્રી : તો ફળ મળે, બહુ સારું મળે અને જ્યારે ત્યારે સમજવું જ પડશે ને ! તેથી હું કહું છું કે કંઈક સમજજો. વિચાર આવતા હોય, પૂછવું હોય તે પૂછજો. પણ પેલી ઠંડક એવી રહે છે ને, પૂછવાની વાત થઈ રહેશે, હઉ થઈ રહેશે. કારણ કે ઠંડક છે ને ! હંમેશાંય માંદો માણસ હોય ને, તેને આપણે કહીએ કે ‘સંડાસ ?’ ત્યારે કહેશે, બે જણ ઝાલે ત્યારે મારાથી જવાય છે. પણ જ્યારે એની પાછળ વાઘ પડે તો ? દોડે તે ઘડીએ. બે જણ ઝાલવા-કરવાનું કશું નહીં. એ દોડે દરઅસલ, સરસ ! તેવું પેલો વાઘ પાછળ પડ્યો નથી, તેની આ ભાંજગડ છે.

છતાંય વાંધો નથી, દાદાનું જ્ઞાન છે ને ! પણ બને એટલો અસંતોષ રાખવો, થોડો થોડો. મનમાં એમ રાખવું કે આ જાણવું છે, વિશેષ પ્રકારે. અને એવું જાણવું છે તેથી તો આવે છે બધા લોક. અમસ્તા કંઈ આવે છે ? ઘેર જ નિરાંતે બેસી રહે, અહીં આગળ શા માટે આવતો હશે ? કારણ કે એની ઈચ્છા છે, ભાવના છે કે આ જાણીએ ને પૂરું કરી લઈએ.

વાત સમજે તો કામ લાગે. આ જ્ઞાન સમજવાનું જ છે, કરવાનું કશું જ નથી. સમજમાં આવ્યું, એનું પરિણામેય આવી જાય. આ સમજેય પારિણામિક છે અને પરિણામેય પારિણામિક છે. એટલે તરત જ પરિણામમાં આવી જાય. અને જે સમજથી પરિણામ ના આવે, એને સમજ જ ના કહેવાય.

પ્રશ્નકર્તા : પણ એ તો એમ કરતા કરતા અહીં આપ સમજાવો છો તો સમજાય છે.

દાદાશ્રી : આ તો આમ કરતા કરતા ટુકડે ટુકડે સમજાવાય જરા. પછી એમ કરતા કરતા ગેડ બેસી જાય.

અજવાળું વધતા થાય નિરંતર અનુભવ

પ્રશ્નકર્તા : દાદા, પણ હવે ઉતાવળ બહુ થાય છે, જલદી પૂરું કરવું છે.

દાદાશ્રી : અમે તમને આ જે બોધબીજ

(પા.૧૮)

આપ્યું છે, તે હવે ધીમે ધીમે બીજ-ત્રીજ થશે. અનંત કાળની અમાસ વીતી ને અજવાળું સહેજ દેખાય, ઝાંખી થાય તો એ બોધબીજ છે. તે પછી ત્રીજ થાય, ચોથ થાય અને પછી છેલ્લે પૂનમ થાય. એક ફેરો બીજ ઊગ્યા પછી થાય, ત્યાં સુધી અમાસની અમાસ જ રહ્યા કરે. બીજ ઊગી એટલે આપણને ખાતરી થઈ કે હવે ત્રીજ થવાની. ધીમે ધીમે ત્રીજ થશે એવી તમને ખબર પડશે કે આ હવે અજવાળું વધ્યું. અજવાળું વધે તેમ આ સંસાર અડતો ઓછો થઈ જાય. અત્યારે સ્થૂળ રૂપે અડતો નથી પણ સૂક્ષ્મ રીતે અડ્યા કરે છે હજુ. તેય પણ ઓછો થતો થતો થતો આપણું પદ જે નિર્લેપ જ છે, તે નિર્લેપનો નિરંતર અનુભવ રહ્યા કરે. આપણું પદ જે અસંગ જ છે તે નિરંતર અનુભવ રહ્યા કરે.

વિજ્ઞાનથી રહેવાય સંસારે જળકમળવત્

પ્રશ્નકર્તા : સંસારમાં રહીને, સંસારની ફરજો બજાવતા બજાવતા પણ નિર્લેપતાથી, અસંગતાથી કેવી રીતે રહી શકાય ?

દાદાશ્રી : એ જ જ્ઞાની પુરુષની પાસે હોય ને ! જ્ઞાની પુરુષની પાસે વિજ્ઞાન એવું હોય, તે વિજ્ઞાનથી થઈ શકે. પછી એનાથી સંસારનુંય થઈ શકે અને આત્માનુંય થઈ શકે.

હું તમારી સાથે વાતચીત કરી શકું છું, એટલે સંસારમાંય રહી શકું છું અને હું મારા પોતાનામાંયે રહી શકું છું, બેઉ કરી શકું છું. આ સંસારની ક્રિયાઓ બધી કરું છું, બધું કરું છું, એય કરું છું ને તેય કરું છું. સંસારમાંયે રહેવાય ને (આત્મામાંય) રહેવાય. જ્ઞાની પુરુષની પાસે બધું વિજ્ઞાન હોય. શાસ્ત્રમાં ના હોય એ. શાસ્ત્રમાં તો છોડ્યે જ છૂટકો થાય.

આવા લોક ભેગું રહેવું ને દહાડા કાઢવા અને કર્મ બંધાય નહીં એવી રીતે રહેવું, તે શી રીતે રહેવું ? તે બધી વિદ્યા હું શીખવાડી દઈશ. લેપાયમાન થાય નહીં, સંગી થાય નહીં એવી વિદ્યા બતાવી દઈશ. નહીં તો આ જગત તો લેપાયમાન જ છે. જેમ કમળ પાણીમાં હોય અને નિર્લેપ રહે છે ને, તેવી રીતે નિર્લેપતા તમને બતાવી દઈશ.

એટલે આત્મા જાણવાનો ક્યાં હોય ? ‘જ્ઞાની પુરુષ’ પાસે. આ શાસ્ત્રના જ્ઞાનીઓ પાસે આત્મા ના હોય. જો આત્મા પ્રાપ્ત થયો હોય તો સમકિત એમને થયેલું હોય અને સમકિત એટલે આ સંસારમાં રહીએ છતાં સંસાર અડે નહીં.

નિર્લેપ પદ જ્ઞાનવિધિના શબ્દો બોલવાથી

શુદ્ધાત્માને તો જ્ઞાની પુરુષ એકલાએ જ જોયેલો હોય, શુદ્ધાત્મા શું છે એ. બાકી આ દર્શન એટલે પ્રતીતિ થઈ ગયા પછી આગળનો ભાગ લક્ષ બેસે એટલે જાય નહીં. એ શ્રદ્ધા તૂટે નહીં પછી. પછી આગળ જેમ જેમ અનુભવ થતો જાય, પછી એનો અમુક નોર્મલ અનુભવથી ઉપર જાય ત્યારે એને પોતાને પોતાનું સ્વરૂપ કેવું છે તે દેખાય. તે અબંધ સ્વરૂપ છે, ક્યારેય બંધાયેલું નથી.

હું જે જ્ઞાનવિધિ કરાવું છું ને, એનાથી પહેલું દર્શન બદલાય છે. એ શું છે ? એ બધું વિભાજન થાય છે, તે ઘડીએ કર્મો (પાપો) ભસ્મીભૂત થાય છે અને અંદર જુદું પડી જાય છે, ભ્રાંતિરસથી ચોંટેલું. તે તમે મારા શબ્દ બોલો એટલે આમાં મહીં આવે છે ને એ શબ્દો, ‘તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ છું.’

પ્રશ્નકર્તા : હા, ભાવોથી સર્વથા હું નિર્લેપ છું.

દાદાશ્રી : એટલે પછી એ પોતે (નિર્લેપ) થતો જાય. મહીં જેટલું બોલતો હોય તેમ થતો જાય. અહીં વિધિ કર્યા પછી થાય, નહીં તો એમ ને એમ બોલે ને બધું, તો કશું વળે નહીં. અહીં એ (અમારી હાજરી) હોય ને !

(પા.૧૯)

પ્રશ્નકર્તા : દાદા, પણ જ્યારે વાક્યો નીકળે છે ત્યારે આશ્ચર્ય થાય છે કે ક્યાંથી આ નીકળ્યું ?

દાદાશ્રી : એ જે અમે જોયો છે, જાણ્યો છે અને અનુભવમાં છે, એ કેવળજ્ઞાન સ્વરૂપ આત્મા છે. તેથી આ વાક્યો નીકળે છે.

જ્ઞાનવાક્યોની અલૌકિકતા

પ્રશ્નકર્તા : જ્ઞાનવિધિમાં આપ બોલો છો તે વખતે બોલી તો જઈએ છીએ પણ...

દાદાશ્રી : બોલવાની જ જરૂર. બોલ્યો એટલે કો’ક દહાડો ઊગશે. મહીં છપાઈ ગયું છે ને ! એટલે જે કહું છું ને, પછી જાણશે એ કો’ક દહાડો. બોલ્યો જ ના હોય તો શું થાય ?

પ્રશ્નકર્તા : છતાં દાદા, આપ જે બોલાવો છે એની પાછળ કોઈ ગૂઢ વૈજ્ઞાનિક કારણ દેખાય છે.

દાદાશ્રી : એ બોલાવું નહીં ત્યાં સુધી આત્મા મહીં છૂટો પડે નહીં ને ! આ અક્રમ વિજ્ઞાનની એ જ છે અજાયબી ! નહીં તો છૂટો પડે નહીં આત્મા કોઈ દહાડો. એક્ઝેક્ટ ભેદજ્ઞાન જોઈએ. શાસ્ત્રમાં ભેદજ્ઞાન હોય નહીં. આવું વાક્ય હોય કદીયે શાસ્ત્રમાં ?

પ્રશ્નકર્તા : ના, ન જ હોય.

દાદાશ્રી : આ વાક્ય અનુભવ સિદ્ધ થઈ જાય તો અહીં ને અહીં મુક્તિ થઈ જાય. અને આવા વાક્યો સિવાય છુટકારો થાય નહીં ને આત્મા જુદો પડે નહીં કોઈ દહાડોય. મૂળ દ્રવ્ય અને એની મૂળ વાત જોઈએ. મૌલિક વાત જોઈએ, શાસ્ત્રની વાત ચાલે નહીં.

ભેદવિજ્ઞાની જુદા પાડે બધા તત્ત્વો

પ્રશ્નકર્તા : હવે સમજાયું, દાદા. આ જે જબરજસ્ત પઝલ ઊભું થઈ ગયું છે, તેનો ઉકેલ શાસ્ત્રજ્ઞાનીથી નહીં આવે. એના માટે એક્ઝેક્ટ આત્મજ્ઞાનીનો ભેટો અને એમની કૃપા જોઈએ.

દાદાશ્રી : હવે આ સૉલ્વ કરવા માટે શાસ્ત્રજ્ઞાની કશું ચાલે નહીં, ભેદવિજ્ઞાની જોઈએ. એ બધા જ તત્ત્વોને જુદા પાડી દે. સંપૂર્ણ જાણતા હોય તો બધા તત્ત્વો જુદા પાડી શકે. એટલે કેવળજ્ઞાની, ભેદવિજ્ઞાની જોઈએ. એ ‘આ ભાગ આત્મા અને આ ભાગ અનાત્મા’, એનું લાઈન ઑફ ડિમાર્કેશન નાખી આપે. એટલે ભેદવિજ્ઞાની છએ છ તત્ત્વની આ લાઈન ઑફ ડિમાર્કેશન નાખી આપે, પછી જુદું પડી જાય. ત્યાં સુધી આ પઝલ સૉલ્વ થાય નહીં અને માણસો સૉલ્વ કરવા જાય તે ગૂંચાઈ જાય, ઊલટો વધારે ને વધારે ગૂંચાતો જાય. સૉલ્વ કરવાનો દિન-રાત પ્રયત્ન કરી રહ્યા છે ને, પણ ગૂંચાય છે વધારે. એટલે જ્યાં સુધી આ ભેદવિજ્ઞાની પાસે પઝલ સૉલ્વ ન કરે, ત્યાં સુધી આ સંસારના બધા મનુષ્યો, સાધુ-સંન્યાસીઓ, આચાર્યો, બાવા-બાવલી બધાય છે તે પઝલમાં જ ડિઝોલ્વ થઈ ગયા હોય. જ્ઞાન એ શબ્દ નથી, નિઃશબ્દ છે. અવક્તવ્ય છે, અવર્ણનીય છે, આત્મા તો. એટલે ભેદવિજ્ઞાનીની મહીં ભગવાન પ્રગટ થયા છે. એમની કૃપા ઊતરે તો... એટલે આજ કૃપા ઊતરી તમારી પર, તે કામ થઈ ગયું તમારું.

આત્માના ગુણો જ જાણ્યા નથી. આ આત્માના ગુણો જાણવા એ ભેદવિજ્ઞાની કહેવાય. આ જે આત્માના ગુણો છે ને, એ બધાય બહાર પડ્યા નથી, બધા અમારામાં છે. અમે અઠ્યાવીસ વર્ષથી આત્મામાં રહીએ છીએ, આ દેહના માલિક નથી.

અવર્ણનીય આત્મા સમજાય કૃપાથી

પ્રશ્નકર્તા : દાદા, આપે કહ્યું કે આત્મા અવર્ણનીય છે પણ ભેદવિજ્ઞાનીની કૃપાથી અનુભવી શકાય એમ છે તે વધારે સમજાવશો.

(પા.૨૦)

દાદાશ્રી : આત્મા તો અનુપમ છે, આત્મા તો અનુભવગમ્ય છે. આત્મા તો અવર્ણનીય છે. આત્મા વાણીથી બોલી શકાય તેવો નથી. આ તો જ્ઞાની પુરુષ વાણીથી દાખલા-દલીલ આપીને અને બીજી રીતે સમજાવી શકે. કારણ કે બધી જ રીતે આત્મા કેવો છે એ જાણી ચૂક્યા છીએ. બાકી આત્મા શબ્દોમાં ઊતરી શકે તેમ છે જ નહીં. તેથી તો કહ્યું કે પુસ્તકમાં કે શાસ્ત્રમાં આત્મા નથી. આત્મા તો એક જ્ઞાની પુરુષ પાસે જ છે, વ્યક્ત થયો તે આત્મા. કોઈ પૂછે કે આત્મા કેવો છે, તો કોઈથી કહેવાય જ નહીં. એમાં કોઈનુંય ગજું નહીં. જ્ઞાની પુરુષ સિવાય એ માટે તો કોઈથી એક અક્ષરેય બોલાય જ નહીં. એ તો જેમને સ્પષ્ટવેદન હોય તેવા જ્ઞાની પુરુષ સમજાવી શકે.

પ્રશ્નકર્તા : તો પછી આત્મા અને તેના ગુણોનો અનુભવ શક્ય કેવી રીતે બને ?

દાદાશ્રી : બધું જ અનુભવી શકાય, પણ ક્યાં અનુભવે ? આ અનુભવેલું વર્ણન નથી થાય એવું. અનુભવ એ અવર્ણનીય વસ્તુ છે. ‘સાકર ગળી છે’ એમ કહે પછી આપણે પૂછીએ, ગળી એટલે શું ? તો એની જોડે સિમિલિ આપી શકાય એવું નથી. એવી રીતે આ આત્માનો જે અનુભવ થયો, એની સિમિલિ આપી શકાય એવું નથી. કારણ કે આ સ્થૂળ વસ્તુનું તો આપણે બીજી વસ્તુ બતાવી શકીએ કે આના જેવું છે, પણ આત્મસુખ કોઈ (સ્થૂળ) વસ્તુ જ નથી કે જે બતાવી શકાય. એટલે પોતાની જાતનો અનુભવ થાય, એ કૃપા સિવાય અનુભવ થાય નહીં. જ્ઞાની પુરુષ એકલું જાણવાનું સ્થળ છે અને તે શબ્દોથી જણાય નહીં એવી વસ્તુ છે. કારણ કે એ અવક્તવ્ય છે, અવર્ણનીય છે. એટલે કૃપાપાત્ર થયો તેનું ફળ છે.

કરીએ બીજમાંથી પૂનમની અનુભૂતિ

આત્મા અવાચ્ય છે, અનુભવગમ્ય છે, દિવ્યચક્ષુથી જ દેખાય. આખા જગતનું તત્ત્વ, આખા જગતનો સાર તે ‘શુદ્ધાત્મા.’ ‘હું શુદ્ધાત્મા છું ’ એવું તમને એની મેળે યાદ આવે છે ને જ્ઞાન પછી ?

પ્રશ્નકર્તા : હા.

દાદાશ્રી : એ અનુભૂતિ ધીમે ધીમે વધતી જાય હવે. હજુ અમાસમાંથી તે બીજ રૂપે શરૂઆત થઈ, પછી ત્રીજ થાય, ચોથ થાય, પાંચમ થાય, જેમ જેમ અનુભૂતિ વધતી જાય તેમ તેમ.

આત્મા શબ્દ સ્વરૂપ નથી, અનુભવ સ્વરૂપ છે. એક ફેરો અનુભવ થયો, પછી જાય નહીં. પછી આ અનુભવ પરંપરામાં વધતો જાય દિવસે દિવસે. હવે તમારો અનુભવ વધતો જશે, તેમ તમારો આત્મા પ્રગટ થતો જશે. આત્મા કેટલો ? ત્યારે કહે, અનુભવ પ્રમાણ.

ચિત્તવૃત્તિઓ બહાર જાય એને ઈન્દ્રિય અનુભવ કહેવાય અને ચિત્તવૃત્તિઓ પાછી ફરે એ અતીન્દ્રિય અનુભવ કહેવાય. આત્માનો અનુભવ એટલે શું ? નિરંતર પરમાનંદ સ્થિતિ.

અંશે જ્ઞાન વધતા થાય અનુભવ સંપૂર્ણ

પ્રશ્નકર્તા : આપણે આત્માનું જ્ઞાન કહીએ અને પછી આત્માનો અનુભવ કહીએ, તે આત્માનો અનુભવ અને આત્માના જ્ઞાનમાં ફરક શું ?

દાદાશ્રી : આત્માનું જ્ઞાન સંપૂર્ણ કહેવાય અને અનુભવ અંશે અંશે કહેવાય. અંશ જ્ઞાનને ‘અનુભવ’ કહ્યું અને સર્વાંશ જ્ઞાનને ‘જ્ઞાન’ કહ્યું. અંશે અંશે વધતો વધતો અનુભવ સંપૂર્ણ થાય.

પ્રશ્નકર્તા : અને અત્યારે જેમ આપ જ્ઞાન આપો છો જે લોકોને, એ લોકોને આત્માનું જ્ઞાન

(પા.૨૧)

થાય કે આત્માનો અનુભવ પણ થાય કે બન્ને થાય ?

દાદાશ્રી : થાય ને, થાય જ છે.

પ્રશ્નકર્તા : એને અનુભવ પણ થાય અને આ જ્ઞાન પણ થાય ?

દાદાશ્રી : થાય જ છે ને, બધાને થાય છે. અનુભવ જો ના હોય તો પછી આત્મા જ નહીં ને !

પ્રશ્નકર્તા : અનુભવની અંદર છે તે જાગૃતિ રહે, જાગૃતિ આવે છે ?

દાદાશ્રી : જાગૃતિ એ જ.

પ્રશ્નકર્તા : એ જ અનુભવને ?

દાદાશ્રી : નહીં, જાગૃતિ એ જ વસ્તુ છે કે જેનાથી અનુભવ બીજા બધા આપણને થાય છે. એક બાજુ લખીએ કે પહેલા ચંદુભાઈ હતા તે શું હતા અને અત્યારે ચંદુભાઈ શું છે ? એ શું કારણથી ? ત્યારે કહે છે કે આ જ્ઞાનના પ્રતાપે, જાગૃતિના પ્રતાપે આ આત્મા તરફની દિશા જાગી ગઈ છે, રાઈટ દિશામાં અને આ રોંગ દિશામાં હતા, તે આખોય ચેન્જ મારે, હંડ્રેડ પરસેન્ટ ચેન્જ લાગે.

પ્રશ્નકર્તા : હા, એટલે ચેન્જ થાય બરાબર. પણ ચેન્જ થાય ક્યારે ? જાગૃતિ આવ્યા પછી ચેન્જ થાય ને ?

દાદાશ્રી : જાગૃતિ આવી જ જાય, આ જ્ઞાન આપીએ પછી એને.

પ્રશ્નકર્તા : જ્ઞાન આવ્યા પછી જાગૃતિ આવી જાય, એમાંથી ધીમે ધીમે એમાં આખા જીવનમાં પલટો થતો જાય.

દાદાશ્રી : હા, પલટો થતો જાય.

પ્રશ્નકર્તા : એ જ આત્માનો અનુભવ.

દાદાશ્રી : બસ, એ જ, એ જ.

તમને જાગૃતિ તો આવી છે. હવે જાગૃતિ વધતી વધતી વધતી કેવળજ્ઞાનને પામશે. કેવળજ્ઞાન એટલે ફુલ સ્કોપની જાગૃતિ. પેલી આ અમુક હદમાં પાતળી થઈ ગઈ. નિરંતર જાગૃતિ એટલે કેવળદર્શન થયું કહેવાય, પણ ફુલ સ્કોપમાં થાય એટલે કેવળજ્ઞાન કહેવાય. જાગૃતિ એ છે તે પૂર્ણત્વે પહોંચે એનું નામ કેવળજ્ઞાન. પછી તેથી આગળ સ્ટેશન નથી, આ જ છેલ્લું સ્ટેશન છે.

જાગૃતિ એ જ જ્ઞાન છે ને સંપૂર્ણ જાગૃતિ એનું નામ કેવળજ્ઞાન. તમામ પ્રકારની જાગૃતિ, અણુએ અણુ, પરમાણુએ પરમાણુની જાગૃતિ એનું નામ કેવળજ્ઞાન. કેવળજ્ઞાનનું જે આખરી પગથિયું છે, તેમાં કેવળ સ્વરૂપની જ રમણતા રહે.

સર્વથા નિજપરિણતિ એ કેવળજ્ઞાન

કેવળજ્ઞાનનું સ્વરૂપ તેને જ કહેવામાં આવે છે કે પુદ્ગલ પરિણતિ બંધ થાય. કોઈ પણ જાતની પુદ્ગલ રમણતા નહીં, નિરંતર પોતાની સ્વભાવિક રમણતા, સ્વભાવની, આત્માની જ નિરંતર રમણતા. પુદ્ગલની સહેજ પણ રમણતા નહીં એ કેવળજ્ઞાન છે. જ્યાં સુધી પુદ્ગલની થોડી ઘણી રમણતા છે, ત્યાં સુધી કેવળજ્ઞાન થયું નથી પણ કેવળદર્શન હોય.

સર્વથા નિજપરિણતિને કેવળજ્ઞાન કહેવામાં આવે છે. અત્યારે કેવળદર્શનમાં નિજપરિણતિ ઉત્પન્ન થઈ છે. જે કેવળજ્ઞાનમાં સંપૂર્ણ થશે. નિજપરિણતિ ઉત્પન્ન થયેલી છે, તે ક્રમે ક્રમે વધ્યા કરશે અને કેવળજ્ઞાન સ્વરૂપમાં પરિણમશે. નિજપરિણતિ એ આત્મભાવના છે, ‘હું શુદ્ધાત્મા’ એ આત્મભાવના નથી.

કેવળજ્ઞાનનું જે આખરી પગથિયું છે, તેમાં ‘સ્વરૂપ’ની જ રમણતા રહે. મોક્ષ તો થઈ જ

(પા.૨૨)

ગયેલો છે, પણ હવે રમણતા જે થઈ જાય છે તે રમણતા બે પ્રકારની છે : (૧) ‘હું શુદ્ધાત્મા છું’ તેમ જાણો અને જે નથી ગમતી તેવી રમણતા કરવી પડે છે. બહાર જવાનું ના ગમતું હોય પણ પહેલા સહી કરી આપેલી છે તે રમણતામાં રહેવું પડે. (૨) બીજી - સ્વરૂપની રમણતા. બીજા લોકો પહેલી રમણતામાં તન્મયાકાર થઈ જાય, જ્યારે આપણને પણ પહેલા પ્રકારની રમણતા આવે ખરી પણ તેમાં આપણે તન્મયાકાર ના થઈએ.

સિદ્ધ સ્તુતિથી વધે આત્મરમણતા

પ્રશ્નકર્તા : મહાત્માને ‘નિજ વસ્તુ’ રમણતા વધારે કેવી રીતે થાય ?

દાદાશ્રી : રમણતા તો બે-ચાર રીતે થાય. બીજી કોઈ રમણતા ના આવડે તો ‘હું શુદ્ધાત્મા છું’, ‘હું શુદ્ધાત્મા છું’ એવું કલાક-બે કલાક બોલે તોય ચાલે, એમ કરતા કરતા રમણતા આગળ વધે.

પ્રશ્નકર્તા : દાદા, આપે બે-ચાર પ્રકારની આત્મરમણતા કહી, તે જરા વિશેષ સમજાવો.

દાદાશ્રી : આ કેટલાક ‘શુદ્ધાત્મા, શુદ્ધાત્મા’ કરે. કેટલાક ‘શુદ્ધાત્મા’ લખીને કરે, તે એ લખીને કરે તો દેહેય એમાં મહીં રમણામાં પેઠો. દેહ ને વાણી બેઉ પેઠા, એટલે મન તો મહીં હોય જ. અને કેટલાક આ બહારનો વ્યવહાર ચાલતો હોય છતાંય મનથી જો શુદ્ધાત્માની ખરેખર રમણા કરે ને, એના ગુણની, એ સિદ્ધસ્તુતિ કહેવાય. એ બહુ કામ આપનારી, બહુ ફળ આપનારી.

પહેલું જાડું કરે ને, એટલે પુદ્ગલ રમણતા છૂટવા માંડે. એમ કરતા કરતા ઝીણું થાય અને જો એના ગુણો જ બોલ્યા કરે, અને શુદ્ધાત્માના ગુણોમાં રમણા કરે, જેમ કે ‘હું અનંત જ્ઞાનવાળો છું’, ‘હું અનંત દર્શનવાળો છું’, ‘હું અનંત સુખનું ધામ છું’, ‘હું અનંત શક્તિવાળો છું’ બોલો, એટલે સાચો રસ ઉત્પન્ન થઈ જાય ! એ સાચી રમણતા કહેવાય. એ તરત જ, ‘ઑન ધ મોમેન્ટ’ ફળ આપે ! પોતાનું સુખ અનુભવમાં આવે.

પ્રશ્નકર્તા : પુદ્ગલના રસોને દબાવીએ, તો આત્માના રસો ઉત્પન્ન થાય ?

દાદાશ્રી : ના, દબાવવાનો અર્થ જ નથી. એ તો એની મેળે ફિક્કા થઈ જાય. આત્માના ગુણો કલાક-કલાક સુધી બોલો તો તરત ઘણું બધું ફળ આપે. આ તો રોકડું ફળવાળી વસ્તુ છે. અગર તો દરેકની મહીં ‘શુદ્ધાત્મા’ જોતા જોતા જાવ તોય આનંદ થાય એવું છે.

‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષમાં નિરંતર રહે અને બીજાને શુદ્ધ જુએ, એ શુદ્ધ રમણતા કહેવાય. એ રમણતા આત્માની રમણતા કહેવાય. પછી બીજી સમભાવે નિકાલ કરતી વખતે આત્માની રમણતા. સમભાવે નિકાલ કરો તો આત્માની રમણતા. પછી પાંચમું પદ છે તે શુદ્ધાત્માનો ચોપડો એટલે અહીં આવ્યા, તે આત્માની રમણતા. એટલે આપણે પાંચેય આજ્ઞા આત્મરમણતા છે.

સ્વભાવ રમણતાથી પોતે થાય આત્મારૂપ

પ્રશ્નકર્તા : આપે આગળ કહ્યું કે આત્માની રમણતા બધી પુદ્ગલની ક્રિયાઓને જોવી અને જાણવી તે જ છે અને પછી પાછું આ આત્માના ગુણોને યાદ કરવા તે પણ કહ્યું, તો બન્નેમાં ફરક શું ?

દાદાશ્રી : જોવું-જાણવું એ આત્મરમણતા. આ પૌદ્ગલિક ક્રિયાઓ જે થાય છે તમારી, ચંદુભાઈ શું કરે છે એ જોવું-જાણવું અને બધી રીતે ઊંડા ઊતરવું ઝીણામાં ઝીણી બાબતમાં તે આત્મરમણતા છે. અને ગુણો યાદ કરવા તે આત્માનું, પોતાનું નિશ્ચયબળ વધવા માટે છે. જાગૃતિ વધવા માટે, સંપૂર્ણ દશા માટે છે.

(પા.૨૩)

આત્માની રમણતા ક્યાં સુધી ? આત્માની પૂર્ણ દશા ઉત્પન્ન થતા સુધી આ રમણતા રહે છે. પોતાની પૂર્ણ દશા ઊભી થઈ એટલે પછી રમણતા રહી જ નહીં ને ! પોતે, પોતે (પૂર્ણ સ્વરૂપ, પરમાત્મા) જ થઈ ગયો ને ! એટલે પૂર્ણ દશા આત્માની છે તે.

પ્રશ્નકર્તા : આત્માની રમણતા થઈ જશેને ? પોતાની પૂર્ણ દશા થઈ જશે ને ?

દાદાશ્રી : થઈ જ જવાની ને ! એ જે રસ્તે ચાલ્યા છે, તે ગામ તો આવવાનું જ ને વળી. અને હવે એવી દિશા બદલી થવાની નથી. મેઈન લાઈન પર આવી ગયા પછી વાંધો નહીં ને !

એની જ લાઈન છે આ. એનો સ્વભાવ જ આ છે. કરવાનુંય કશું નથી, એનો સ્વભાવ જ કરશે. સ્વભાવમાં જ રમમાણ, એ આત્મરમણતા કહેવાય.

પ્રશ્નકર્તા : પછી ‘પોતે’ ‘પોતે’ જ થઈ ગયો !

દાદાશ્રી : ‘પોતે’ જે હતો તે મૂળ ‘પોતે’ જ થઈ ગયો. એટલે રમણતાની દશા પૂરી થઈ ગઈ !

અમારા જ્ઞાની મહાત્માઓને સ્વરમણતા અને નિજ મસ્તી, તે નિજ મસ્તીમાં રહેવા સ્વરમણતામાં જ રહે.

આત્મગુણો બોલતા થાય સિદ્ધ સામાયિક

આત્માના ગુણો બોલવામાં એક કલાક, જો ગુંઠાણું કાઢે, ઓહોહો ! એ તો મોટામાં મોટી સામાયિક કહેવાય છે. એ તો સિદ્ધ સામાયિક કહેવાય, સિદ્ધ સામાયિક ! આવો કો’ક દહાડો ના નીકળે બળ્યો, ચંદુભાઈ ? કે સરકાર ખાઈખપૂચીને પાછળ પડી છે ? એક કલાકેય મળે કે ના મળે ?

પ્રશ્નકર્તા : મળે.

દાદાશ્રી : આ તો અમારા કહ્યા પ્રમાણે ચાલો તો તમને બહુ ફળ મળે એમ છે. જે રીતે અમે ચાલ્યા છીએ એ રીતે તમને ચલાવીએ છીએ. અને એ રીતે તમે કરો તો ઘણું ફળ મળે એવું છે અને રોકડું ફળ છે, ઉધાર નામેય નથી. કોઈ દહાડોય ઉધાર નથી. અહીં આવો એટલો વખત રોકડું મળે છે ને ? એટલે આપણે આમ જ્ઞાનીના કહ્યા પ્રમાણે કરીએ, એક કલાક ચંદુભાઈ કાઢજો તમે. બસ પોતાના ગુણો, એ ગુણો બધા લખેલા છે તમે ?

પ્રશ્નકર્તા : ચોપડીમાં છે ને પેલા.

દાદાશ્રી : નહીં, ચોપડીમાં તો વિગત લખેલી છે. વિગતવાર ગુણો લખેલા છે, પણ આમ પદ્ધતસર ગુણો તે લખી લીધા હોય ને, તો બહુ સારું પડે. પેલું આખું ચોપડીનું યાદ ના રહે ને ! એટલે ઊંચામાં ઊંચા ગુણો, મોટા-મોટા ગુણો એકલા જ, તે કાલે આપણે એ ગુણો બોલાવીશું એ પછી. કાલે અહીં ભેગા થઈશુંને આપણે, ત્યારે ઉજવણી કરવાની. લોકોના જેવું લૌકિક તો આપણી પાસે હોય નહીં કશું. ના વાજા હોય, ના ધજા હોય, ના કશું હોય, તો આપણી આ ઉજવણી. લોક આખું ભ્રાંતિમાં પડેલું છે, ત્યાં આગળ શી પ્રભાવના કરીએ આપણે તે ? આપણે તો આપણી જાતની જ પ્રભાવના કરવાની. કેવી ? જાતની જ. આ આરતીયે જાતની છે, પ્રભાવનાય જાતની છે. બધું જાતનું જ છે આ.

ચરણ વિધિની અજાયબી

પ્રશ્નકર્તા : ચરણ વિધિમાં જે આત્માના ગુણો જે છે તે, હે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ... એ આપણે બોલાયા કરે એની મેળે આખો દિવસ, એ શું ? સારું કહેવાય ?

દાદાશ્રી : બહુ સારું, બહુ સારું. કારણ કે એ જ ચંદુ છે તે ચરણ વિધિની ભજના કરે છે,

(પા.૨૪)

તે રૂપ થવા ફરે છે. અને રાતે તો બધા સૂઈ જાય છે તે ચરણ વિધિ કરતા કરતા સૂઈ જાય છે. તે જ્યાંથી ઊંઘ આવી ગઈ ત્યાંથી ચરણ વિધિ બાકી રહી જાય. પછી પાછું એ ફરી ઊંઘમાંથી જાગે ત્યારે પેલું ત્યાંથી યાદ આવે પાછું, જોઈન્ટ થાય છે.

પ્રશ્નકર્તા : હા દાદા, એવું થાય છે.

દાદાશ્રી : કેટલી અજાયબી છે !

આ (ચરણ વિધિની) ચોપડી અહીં આપી છે ને તમને, એ વાંચશો તો બધા (પ્રશ્નોનું) નિરાકરણ થઈ જશે. નવ કલમો ને એ બધું જો રોજ વાંચશો અને ત્રિમંત્રો, નમસ્કાર વિધિ, સીમંધર સ્વામીની (પ્રાર્થના), એ બધું કરશો તો બધા કર્મો-ઝઘડાં ઊડી જશે અને કુટુંબને મુશ્કેલી નહીં પડે. નવ કલમો વાંચશો તો પાપો ભસ્મીભૂત થઈ જશે, ખાલી ભાવના કરવાથી જ.

આ નવ કલમો છે ને, એ અજાયબ શોધખોળ છે ! વ્યવહારના માટે આટલું બહુ થઈ ગયું. આટલું રોજ બે-ત્રણ વખત વાંચે ને, તો કલ્યાણ થઈ જાય. ખાલી વાંચે ને, પછી એમ કરતા કરતા જ્યારે મોઢે યાદ રહી એટલે ભાવના કર્યા જ કરે. બસ, આ ભાવના જ કર્યા કરવાની.

શુદ્ધાત્મા પદ એ નિર્ભય પદ

તમને જે શુદ્ધાત્મા આપ્યો છે, એની પર કોઈ ભયવાળી ચીજ જ નથી. આત્માને કોઈ ભયવાળી વસ્તુ જ નથી. કેવી સેફસાઈડ ને કેટલો આનંદ મહીં ! સુખ માટે એને બીજા કોઈની જરૂર જ નથી, પોતે પોતાના સ્વભાવથી જ સુખમય છે ને નિરાલંબ છે. જેને અવલંબન જ નથી, એવો આત્મા આપ્યો છે. દાદા કેવા ૭૯ વર્ષે રહે છે, નથી એવું ?

આ તો આપણું જ્ઞાન છે ને, તે જ્ઞાનના આધારે ભય છૂટી જાય. તમને એવી હિંમત રહે છે ?

પ્રશ્નકર્તા : પુદ્ગલ બંધ થઈ ગયું !

દાદાશ્રી : હા... પુદ્ગલની હુકુમતમાંય ના રહ્યા. પોતાના સ્વક્ષેત્રમાં વાત થઈ. એ પોતાના ગુણોનું વર્ણન કર્યા જ કરવું. એને સિદ્ધ સ્તુતિ કહી છે ભગવાને. પોતાના ગુણો જ, ‘હું અનંત જ્ઞાનવાળો છું’ એવું પચ્ચીસ-પચાસ વખત બોલી, ‘હું અનંત દર્શનવાળો છું’ એમ પચ્ચીસ-પચાસ વખત, પછી ‘હું અનંત શક્તિવાળો છું, અનંત સુખનું ધામ છું, અવ્યાબાધ સ્વરૂપ છું, અમૂર્ત છું, સૂક્ષ્મ છું, અગુરુ-લઘુ સ્વભાવવાળો છું, અવિનાશી છું, અવ્યય છું, અચ્યુત છું, અરૂપી છું, ટંકોત્કીર્ણ છું.’ ટંકોત્કીર્ણ તો સો-સો વખત બોલવું જોઈએ. ટંકોત્કીર્ણ એટલે શું કહે છે કે મારે પુદ્ગલ સાથે લેવાદેવા જ નહોતી પહેલેથી. તો પછી પુદ્ગલ સમજી જાય કે આપણી જોડે વ્યવહાર તોડી નાખ્યો આ લોકોએ. આ તો આવું બોલવું જોઈએ આપણે કંઈક... સાયન્સ છે ને આ તો. સાયન્સના પ્રમાણે, કહ્યા પ્રમાણે કરે નહીં, તો પછી એનું ફળ આવું મળે નહીં. આ તો ભગવાન મહાવીર જેવું રાખે એવું છે, પણ આ એવું છે ને કરો તો ને !

અમે એટલા બધા જ્ઞાનવાક્યો આપ્યા છે કે તમને દરેક પ્રસંગમાં એલર્ટનેસ (જાગૃતિ) રહે. તે એટલી બધી જાગૃતિ રહેવી જોઈએ.

આ વાક્યો ઈટસેલ્ફ બોલે એવા છે. આખું જ્ઞાન જ ઉઘાડું કરે એવું છે.

‘અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું.’ આટલું જ વાક્ય જો કોઈ પૂરેપૂરું સમજી જાય તો તે સંપૂર્ણ દશા પામી જાય !

જ્ઞાનીકૃપાએ થાય સંપૂર્ણ જ્ઞાન પ્રકાશ

પ્રશ્નકર્તા : અનંતા જ્ઞેયો ને અનંતી અવસ્થાઓ ને તેના અનંત જ્ઞાન - આ તો બહુ ઊંચી વસ્તુ છે. આ વાક્ય ક્યાંય સાંભળ્યું નથી.

(પા.૨૫)

દાદાશ્રી : આ વાક્યો તો અમે કેવળજ્ઞાનમાં જોઈને બોલીએ છીએ. ‘જ્ઞાની’ના મુખે નીકળેલી વાતો સંપૂર્ણ સ્વતંત્ર હોય, મૌલિક હોય, એ કંઈથી ઉપાડેલું ના હોય. એનું ‘વેલ્ડિંગ’ જ કંઈ ઓર જાતનું હોય ! શાસ્ત્રના શબ્દો ના હોય ! એમનું એક જ વાક્ય શાસ્ત્રોના શાસ્ત્રો કરે તેવું છે.

મૂળ વસ્તુસ્થિતિમાં હું શું કહેવા માગું છું એ જો સમજે ને, તો કલ્યાણ થઈ જાય. દરેક વાક્યમાં હું શું કહેવા માગું છું, એ આખી વાત જ જો સમજવામાં આવે તો કલ્યાણ થઈ જાય. આખા વર્લ્ડને તારી લે એવા આ સેન્ટેન્સ (વાક્યો) છે. અને વ્યવહાર-નિશ્ચયના ભેદ સહિત છે.

પ્રશ્નકર્તા : દાદા, આ આખા સેન્ટન્સ જે છે, એમાં એક પણ એવું સેન્ટન્સ નથી કે જ્યાં પોતે બંધાય. પોતે મુક્ત થતો જાય, એ જ અનુભવ થયા ને !

દાદાશ્રી : બહુ વિચારવા જેવું છે.

પ્રશ્નકર્તા : આ બીજા ધર્મોમાં જેમ આપ કહો છો ને કે સાબુ હોય, કપડાં ધોતા હોય તો સાબુ એનો મેલ મૂકતો જાય. પછી ટિનોપોલથી ધુઓ તો તે ટિનોપોલનો મેલ લાગે, એવી દરેક ધર્મની બધી ક્રિયાઓ છે. જ્યારે આ ચરણ વિધિ, નમસ્કારવિધિ, નવ કલમો એ બધી જ વસ્તુઓથી મુક્ત કરે છે.

દાદાશ્રી : એ છૂટેછૂટાં.

પ્રશ્નકર્તા : એટલે કોઈ પણ જગાએ જીવને બંધન નથી.

દાદાશ્રી : આનો શુદ્ધ હેતુ છે. વિજ્ઞાન છે ને, અક્રમ વિજ્ઞાન ! કોઈ કાળે આવું જોયેલું જ નહીં ! સાંભળેલું જ નહીં ને !

અમે ‘સ્વરૂપ જ્ઞાન’ આપીએ છીએ ત્યારે એક સમય શુદ્ધ ચિત્તને પામે છે. એક સમયની જ જરૂર છે. એક જ સમય જો શુદ્ધ ચિત્ત થઈ ગયું તો થઈ રહ્યું ! ‘કેવળજ્ઞાન’ સુધી એ છોડે નહીં !

કેવળજ્ઞાનના અંશ સ્વરૂપના ભાગને અમે ‘પ્રજ્ઞા’ કહીએ છીએ. પ્રજ્ઞા એ જ્ઞાન પર્યાય છે. જેમ જેમ આવરણો તૂટતાં જાય, તેમ તેમ પ્રકાશ વધારે થાય અને તેટલું કેવળજ્ઞાન અંશે કરીને વધતું જાય. સંપૂર્ણ કેવળજ્ઞાન તો ૩૬૦ અંશ પૂરા થાય ત્યારે થાય.

જ્યારે સર્વ આવરણોથી મુક્ત આત્મા થાય ત્યારે તેને આખાય બ્રહ્માંડને પ્રકાશવાની શક્તિ પ્રાપ્ત થાય, આખા બ્રહ્માંડને પ્રકાશે. બીજા શબ્દોમાં આખા બ્રહ્માંડના જ્ઞેયોને જોવાની-જાણવાની શક્તિ પ્રાપ્ત થાય તે જ કેવળજ્ઞાન.

જેમ એક માટલામાં હજારનો બલ્બ ફીટ કર્યો હોય અને માટલાનું મોઢું બંધ કરી દીધું હોય તો પ્રકાશ મળે ? ના મળે. તેવું આ મૂઢાત્માનું છે. મહીં તો અનંત જ્ઞાનપ્રકાશ છે, પણ આવરાયેલું હોવાથી અંધારું ઘોર છે. જ્ઞાની પુરુષની કૃપાથી, તેમની સિદ્ધિના બળથી માટલામાં જો સહેજ કાણું પડે, તો આખીય રૂમમાં પ્રકાશ ફેલાઈ જાય. તેટલું આવરણ તૂટ્યું અને તેટલો ડિરેક્ટ પ્રકાશ પ્રાપ્ત થયો. જેમ જેમ આવરણ તૂટતાં જાય, જેમ જેમ વધારે ને વધારે કાણાં પડતા જાય, તેમ તેમ પ્રકાશ વધતો જાય અને જ્યારે આખુંય માટલું ફૂટી જાય અને બલ્બથી જુદું પડી જાય ત્યારે સંપૂર્ણ પ્રકાશ બધે ફેલાઈ જાય ! ઝગમગાટ થઈ જાય !

જય સચ્ચિદાનંદ