અક્રમમાં આત્માની પ્રતિનિધિ - ‘પ્રજ્ઞા’

સંપાદકીય

આત્માની બે જાતની શક્તિઓ છેઃ અજ્ઞાશક્તિ અને પ્રજ્ઞાશક્તિ. અજ્ઞાશક્તિનું મૂળ શું ? જડ અને ચેતનના સંયોગના દબાણથી વિશેષ પરિણામ ઉત્પન્ન થયું તે અજ્ઞાશક્તિ. જેનાથી આ જગતની અધિકરણ ક્રિયા ચાલે છે. જેમાંથી કોઈ બહાર નીકળી શકે નહીં ને ! જ્યારે આ ‘અક્રમ માર્ગ’માં જ્ઞાની પુરુષ દાદા ભગવાન (દાદાશ્રી)ની કૃપાથી, ભેદવિજ્ઞાન દ્વારા સ્વરૂપનું જ્ઞાન મળતા જ ‘પોતે’ ‘પોતાના’ ભાનમાં આવે ત્યારે અજ્ઞાશક્તિ વિદાય લે છે અને પ્રજ્ઞાશક્તિ પ્રગટે છે. પ્રજ્ઞા એ આત્માની ડાયરેક્ટ લાઈટ છે અને અજ્ઞા એ ઈનડાયરેક્ટ લાઈટ છે.

અક્રમમાં આત્માની પ્રજ્ઞા નામની વિશેષ શક્તિ બહાર પડે છે, જે રિયલ-રિલેટિવ બંનેનું સંભાળી લે છે, જેથી આત્માને કશું કરવું નથી પડતું. પ્રજ્ઞાશક્તિ નિરંતર ચેતવીને ચંદુને જુદો પાડી તેના દોષો દેખાડી રિયલની દિશા પકડાવે છે, એ જ આત્માનો અનુભવ ! પ્રજ્ઞા એ મૂળ ચેતનમાંથી જુદી પડેલી આત્માની પ્રતિનિધિ છે, જેની પાસે આત્માનો ‘પાવર ઓફ એટર્ની’ છે.

જ્ઞાન મળ્યા પછી મહાત્માઓને ‘હું શુદ્ધાત્મા છું’ની ખાત્રી થઈ છે, પ્રતીતિ બેઠી છે. થોડો અનુભવ થયો છે, પણ તે રૂપ નથી થયા. હજુ ભેદ છે. સંપૂર્ણ શુદ્ધાત્મરૂપ થઈ જાય એટલે સંપૂર્ણ અભેદ થાય. મૂળ આત્મા જોડે અભેદ કોણ થાય છે ? અહંકાર ? ના. પ્રજ્ઞા શુદ્ધાત્મા જોડે અભેદ થાય છે. પ્રજ્ઞા મૂળ આત્મામાંથી વ્યવહાર પૂરો કરવા પ્રજ્ઞા જુદી પડી, તે કેવળજ્ઞાન થાય ત્યારે પ્રજ્ઞાનું કામ પૂરું થઈ જાય અને આત્મામાં અભેદ થઈ જાય છે !

પ્રસ્તુત અંકમાં પ્રજ્ઞાશક્તિની વિશેષ છણાવટ થઈ છે, જેમાં મહાત્માઓએ જિજ્ઞાસાવૃત્તિ સાથે દાદાશ્રીને પ્રજ્ઞા સંબંધી અનેક પ્રશ્નો પૂછ્યા છે. જેમાંથી પ્રજ્ઞા સાથે સંકળાયેલ જુદા-જુદા શબ્દો જેમ કે દિવ્યચક્ષુ, બુદ્ધિ, સમ્યક્ બુદ્ધિ, સ્થિતપ્રજ્ઞ દશા, અહંકાર, ચિત્ત, શ્રદ્ધા, સૂઝ, પ્રતિષ્ઠિત આત્મા, શુદ્ધાત્મા, સમજ, જાગૃતિ, જ્ઞાન અને વિજ્ઞાન વગેરેના પ્રજ્ઞા સાથેના ડિફરન્સને ઊંડાણમાં દાદાશ્રીની વાણી દ્વારા અત્રે સંકલિત થયા છે.

દાદાશ્રી કહેતા હતા કે કેવળજ્ઞાનના અંશ સ્વરૂપના ભાગને અમે પ્રજ્ઞા કહીએ છીએ. આ વિજ્ઞાન એમણે ‘પ્રજ્ઞાશક્તિ’થી જોયેલું છે. સંસારમાં બુદ્ધિથી જોયેલું જ્ઞાન કામનું, પણ આપણે ‘અહીં’ તો નિર્મળ જ્ઞાન જોઈશે. છેવટે બુદ્ધિ વગરનું વિજ્ઞાન થશે ત્યારે કામ થશે. માટે મહાત્માઓ આ ભવે જ્ઞાનીનો સાંધો મળ્યા પછી પાંચ આજ્ઞા પાળી પ્રજ્ઞા અને જાગૃતિનું બળ વધારી સંપૂર્ણ આત્માનુભવ દશા પામીએ એવી હૃદયપૂર્વક અભ્યર્થના.

~ જય સચ્ચિદાનંદ.

અક્રમમાં આત્માની પ્રતિનિધિ - ‘પ્રજ્ઞા’

(પા.૪)

સંસારનું મૂળ - અજ્ઞા શક્તિ

પ્રશ્નકર્તા : (સંસારમાં) પાપ-પુણ્ય શું છે ? એનો રચનાર) કોણ ?

દાદાશ્રી : આને રચનાર અજ્ઞા નામની શક્તિ છે. અજ્ઞાનથી ઊભી થયેલી એ શક્તિ છે. અજ્ઞાનથી અજ્ઞા નામની શક્તિ ઉત્પન્ન થાય છે. જીવમાત્રને હોય જ અજ્ઞાશક્તિ.

બે જાતની શક્તિઓ છે. આત્માનું તો તેનું તે જ સ્વરૂપ છે. જૈનોમાં, વૈષ્ણવોમાં, મજૂરોમાં બધાના આત્મા એક જ સ્વરૂપના છે; પણ ફક્ત બે જાતની શક્તિઓ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનના જ સંજોગો ભેગા થાય એટલે ‘અજ્ઞા શક્તિ’ ઉત્પન્ન થાય, એને અજ્ઞાનબ્રહ્મ કહેવાય. એનાથી જગતનું સર્જન થાય. આ અજ્ઞાશક્તિ ઠેઠ સુધી સંસારની બહાર જ ના નીકળવા દે. એ અનંત કાળ સુધી (અજ્ઞાન છે ત્યાં સુધી), આખો સંસારકાળ પૂરો થતાં સુધી અજ્ઞાશક્તિ જ બધું ચલાવી લે છે.

‘હું’ અને ‘મૂર્તિ’ બે ભેગા થાય, એનું નામ અજ્ઞાશક્તિ. સંસાર ઊભો કરનારી અજ્ઞાશક્તિ. અજ્ઞ સંજ્ઞા તે ૮૪ લાખ યોનિમાં ભટકવાની વસ્તુ છે. કાર્યરૂપે સ્થિત અજ્ઞ દશાથી સંસાર ઊભો થાય અને કાર્યરૂપે સ્થિત પ્રજ્ઞાથી સંસાર વિલય થાય. આત્મા પ્રાપ્ત કર્યા પછી બુદ્ધિનો આધાર તૂટે ને પ્રજ્ઞાધારી થાય. જ્ઞાન ટોપ ઉપર આવે ત્યારે પ્રજ્ઞાધારી કહેવાય, જે ડાયરેક્ટ અમારાથી મળે !

આ ‘અજ્ઞા’ એ શબ્દ અમારે મહીંથી સ્ફૂરેલો છે, અમે નવો ઉમેર્યો છે. આ તો પ્રજ્ઞાને સમજાવવા ‘અજ્ઞા’ શબ્દ મૂકવો પડ્યો, નહીં તો પ્રજ્ઞાને સમજનારો જ ‘અજ્ઞા’ને જાણે. ક્રમિક માર્ગમાં જ્યાં અહંકાર શુદ્ધ કરતા કરતા જવાનું ત્યાં બધું મનથી કરવું પડે છે અને આ ‘અક્રમ’ માર્ગમાં પ્રજ્ઞાદશાથી બધું થાય છે, આત્માના પ્રજ્ઞા ભાગથી બધું થાય છે. અજ્ઞા ભાગથી પ્રવેશ થયો અને છુટકારો પ્રજ્ઞા ભાગથી થાય છે. આ તો કયા ભાગથી પ્રવેશ પામ્યા એ સમજાય તો છૂટવાનો માર્ગ જડતો જાય. જે શક્તિ તને સંસારમાં અથાડ અથાડ કરે છે એને ઓળખ, તો પ્રજ્ઞાશક્તિ ઓળખાય.

બંધન અજ્ઞાથી, મુક્તિ પ્રજ્ઞાથી

પ્રશ્નકર્તા : અજ્ઞાશક્તિની શરૂઆત શાથી થઈ, તે પાછળ શો હેતુ હતો ?

દાદાશ્રી : મૂળ આત્મા અને એને આ જડનો સંયોગ બાઝયો, ચેતનની જોડે જડનો સંયોગ બાઝયો, એ સંયોગથી વિશેષ જ્ઞાન ઉત્પન્ન થયું. એ અજ્ઞાશક્તિ થઈ.

અજ્ઞાશક્તિ શી રીતે ઉત્પન્ન થાય છે ? આત્મા પર સંજોગોનું જબરજસ્ત દબાણ આવ્યું એટલે જ્ઞાન-દર્શન જે સ્વાભાવિક હતું તેનું વિભાવિક થયું, એટલે અજ્ઞાશક્તિ ઉત્પન્ન થઈ. આ અજ્ઞાશક્તિ મૂળ આત્માની કલ્પશક્તિમાંથી ઉત્પન્ન થાય છે. અજ્ઞાશક્તિ આત્માની કલ્પના છે, વિકલ્પ છે. જેવું કલ્પે તેવો દેહ બંધાઈ જાય. એને કશી મહેનત કરવી ના પડે. પછી ‘ઈગોઈઝમ’ જોડે ને જોડે જ હોય. જૂનો ‘ઈગોઈઝમ’ પૂરો ના થયો હોય, ત્યાં નવો ‘ઈગોઈઝમ’ ચાલુ થઈ જાય. આ દેહની મહીં અથડામણો કર્યા કરે, તે અજ્ઞાશકિત.

અજ્ઞા-પ્રજ્ઞા બેઉ આત્માની શક્તિ

અજ્ઞાશક્તિથી જગતની અધિકરણ ક્રિયા ચાલ્યા કરે ને એ ક્રમિક માર્ગમાં ઠેઠ સુધી રહે છે. અને છેલ્લે જ્યારે પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય ત્યારે

(પા.૫)

અજ્ઞાશક્તિ વિદાય લે છે અને એ પ્રજ્ઞા જ ઠેઠ મોક્ષે લઈ જાય છે. અહીં અક્રમ માર્ગમાં જ્ઞાન મળતાની સાથે જ પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે. પછી તમારે કશું જ કરવું ના પડે, એ પ્રજ્ઞા જ કામ કર્યા કરે. આ પ્રજ્ઞા શાનાથી ઉત્પન્ન થાય છે ? સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે ! અને એવા એવિડન્સ ઊભા થાય તો સિદ્ધ ભગવાનનેય પ્રજ્ઞા ઊભી થાય, પણ ત્યાં એવા એવિડન્સ ઊભા થાય જ નહીં. અને અહીં તો સમસરણ માર્ગ છે એટલે નિરંતર સંયોગોના ભીડાથી અજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય અને ‘જ્ઞાની પુરુષ’નો જો યોગ મળે તો પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય છે અને અજ્ઞાશક્તિ વિદાય લે છે.

પ્રજ્ઞા એ આત્માની જ ડાયરેક્ટ શક્તિ છે, ડાયરેક્ટ લાઈટ છે અને અજ્ઞા એ ઈનડાયરેક્ટ લાઈટ છે. અજ્ઞા એ ટોપ ઉપરની બુદ્ધિ કહેવાય અગર તો નાનામાં નાની બુદ્ધિથી માંડીને પણ અજ્ઞા બધી આખી. છતાંય એ આત્માની શક્તિ છે પાછી. અજ્ઞાશક્તિ આત્માની શક્તિ છે અને પ્રજ્ઞા એય આત્માની શક્તિ છે.

પ્રશ્નકર્તા : એ શક્તિ આત્માની કેવી રીતે ગણાય ?

દાદાશ્રી : વિશેષ પરિણામને લીધે અજ્ઞાશક્તિ ઉત્પન્ન થઈ.

પ્રશ્નકર્તા : દાદા, એવું નથી કે શક્તિ એક જ છે. જો બહાર ગઈ તો અજ્ઞામાં પરિણામે છે અને પોતામાં સમાય તો...

દાદાશ્રી : ના, એવું નહીં. એ અજ્ઞાશક્તિ જુદી છે. પણ એ બેઉ આત્માની શક્તિઓ છે. જ્યારે પુદ્ગલમાં કોઈ આવી તેવી શક્તિ જ નથી ને !

પ્રશ્નકર્તા : એટલે એનો અર્થ એ કે બધી જે કંઈ શક્તિઓ છે, એ બધી આત્માની જ શક્તિઓ છે ?

દાદાશ્રી : આત્માની જ શક્તિઓ છે, પણ જ્યાં સુધી આત્મા છે તે વિશેષ પરિણામમાં સપડાયેલો છે ત્યાં સુધી અજ્ઞાશક્તિની બહાર નીકળે નહીં ને ! જ્યારે અજ્ઞાશક્તિમાંથી બહાર નીકળે, પોતે પોતાના ભાનમાં આવે ત્યારે અજ્ઞાશક્તિ ખસે, ત્યારે નિજ પરિણામ ઉત્પન્ન થાય. ત્યાર પછી પ્રજ્ઞાશક્તિ કામ કરે. પછી સંસારમાં જવા ના દે.

એટલે બેઉ શક્તિઓ આત્માની જ છે. બાકી કોઈ બહારની, બીજા કોઈની શક્તિ જ નથી આમાં. એ પ્રજ્ઞાશક્તિ અને અજ્ઞાશક્તિ બેઉ માનેલી વસ્તુ છે, બિલીફ છે.

અજ્ઞા શક્તિ લોક વ્યવહારની છે ને ‘પ્રજ્ઞા શક્તિ’ મોક્ષ માટેની છે. આ પ્રજ્ઞાશક્તિ જ તમને મોક્ષે લઈ જશે. આમાં આત્મા તો તે જ છે. ત્યાંય વીતરાગ છે ને અહીં પણ વીતરાગ છે. માત્ર આ શક્તિઓ જ બધું કર્યા કરે છે. જે પારકા સંજોગોના દબાણથી અજ્ઞાન થતાં થતાં, અજ્ઞાનપદ ઊભું થઈ ગયું, એવું આ બીજા દબાણથી (જ્ઞાની પુરુષના નિમિત્તથી) છે તે જ્ઞાનપદ ઊભું થયું.

જ્ઞાનીના ભેદજ્ઞાને પ્રગટી પ્રજ્ઞા

અમે જ્ઞાન આપીએ છીએ તે સીધી જ અનુભૂતિ થાય છે, એને પરમાર્થ સમકિત કહે છે. તેથી પ્રજ્ઞાભાવ તે જ વખતે તમને ઉત્પન્ન થઈ જાય છે. આખું જગત જે ચાલી રહ્યું છે તે બધો જ ચંચળ ભાગ, જ્યારે પ્રજ્ઞાભાવ એ સ્થાયી રહી શકે તેવો ભાવ છે. પ્રજ્ઞા ઉત્પન્ન થાય એટલે સીડી કે પગથિયાં ચઢવાં ના પડે પણ સીધા જ ઉપર પહોંચી જવાય. પ્રજ્ઞા સિવાયના બધા જ ભાવ તે ભાવાભાવમાં ગણાય અને તે બધા જ ચંચળ

(પા.૬)

ભાગમાં સમાય. પ્રજ્ઞાભાવને આત્મભાવ ના કહેવાય. પ્રજ્ઞાભાવ અચંચળ ભાગમાં આવે.

પ્રજ્ઞા એ અજ્ઞાનના સંયોગોનો વિયોગ કરાવી વિસર્જન કરાવે અને નિરંતર મોક્ષ તરફ, મુક્તિ તરફ પ્રયાણ કરાવે. જ્ઞાની પુરુષ મળ્યા સિવાય પ્રજ્ઞા ઉત્પન્ન થાય જ નહીં.

જ્ઞાની પુરુષ ઈગોઈઝમ કાઢે ત્યાર પછી પ્રજ્ઞા ઉત્પન્ન થાય. ઈગોઈઝમ ને મમતા, એ અજ્ઞાશક્તિની સારવારમાં છે. પ્રજ્ઞા ઉત્પન્ન થાય એટલે અજ્ઞા નામની શક્તિ એનું બધું લઈને વાળી-ઝુડીને ચાલવા માંડે ! જેમ કોંગ્રેસ ગવર્નમેન્ટ આવી, તે પેલા અંગ્રેજો જતા રહ્યા ને બધા. અજ્ઞા જાય એટલે પ્રજ્ઞા ઊભી થાય. જગતના જીવમાત્રને મિથ્યાત્વ છે ત્યાં સુધી અજ્ઞા અને મિથ્યાત્વ ખસે એટલે પ્રજ્ઞા ઉત્પન્ન થાય. ‘હું ચંદુભાઈ છું’ એ મિથ્યાદર્શન છે. એ જાય ને ‘હું શુદ્ધાત્મા છું’નું લક્ષ બેસે, તે સમ્યક્ દર્શન છે !

દાદા કૃપાએ બેઠી પ્રતીતિ

પ્રશ્નકર્તા : આ જે દર્શનમાં આવે છે, એ દર્શન એ પ્રજ્ઞાનો ગુણ છે કે બુદ્ધિનો ? દર્શન કોનું કહેવાય ?

દાદાશ્રી : એ તો પ્રજ્ઞાનેય દેખાડનારી વસ્તુ છે. દર્શન એટલે પ્રતીતિ કે આપણે આત્મા છીએ. એની પ્રતીતિ બેસે પહેલી ને પ્રતીતિ બેસે તો એ પ્રાપ્ત થાય.

પ્રશ્નકર્તા : એ પ્રતીતિ કોને, પ્રજ્ઞાને બેસે છે ?

દાદાશ્રી : પ્રતીતિ અહંકારને બેસે છે કે ‘હું ખરેખર આ નથી, આ છું,’ જે અહંકારને પ્રતીતિ હતી કે ‘હું ચંદુભાઈ છું,’ તે એ પ્રતીતિ ઊઠીને અહીં બેઠી, એનું નામ દર્શન.

પ્રશ્નકર્તા : એ પ્રતીતિ પ્રજ્ઞાને લીધે બેસે છે ? એ પ્રજ્ઞા કરાવે છે ?

દાદાશ્રી : ના, પ્રજ્ઞા નથી કરાવતી. આ હું જે જ્ઞાન આપું છું તે કરાવે છે અને દાદા ભગવાનની કૃપા કરાવે છે. હું જ્ઞાન આપું છું ને દાદા ભગવાનની કૃપાથી ‘ખરેખર આમ જ છે’ એવું લાગે. આજ સુધીનું ખોટું છે આ. આજ સુધીની માન્યતા બધી ખોટી છે. રોંગ બિલીફ હતી, તે રાઈટ બિલીફ થઈ ગઈ.

પ્રજ્ઞા ને ભેદજ્ઞાન

જ્ઞાની પુરુષ ભેદ કરી આપે. એટલે પછી પ્રજ્ઞા ઊભી થાય. ત્યાં સુધી પ્રજ્ઞા ઊભી ના થાય. અને ભેદ ના કરે ત્યાં સુધી અજ્ઞા તો હોય જ.

પ્રશ્નકર્તા : એ પ્રજ્ઞા અને ભેદજ્ઞાનમાં શો ફેર છે ?

દાદાશ્રી : ભેદજ્ઞાન થાય તો જ પ્રજ્ઞા ઊભી થાય. પ્રજ્ઞા એ લાઈટ છે અને આ ભેદજ્ઞાનેય લાઈટ છે. તે એ લાઈટ તો બેને જુદું પાડવા પૂરતું જ છે.

પ્રશ્નકર્તા : અને પ્રજ્ઞાનું પરમેનન્ટ લાઈટ ?

દાદાશ્રી : અને આ પ્રજ્ઞાનું લાઈટ ટેમ્પરરી-પરમેનન્ટ છે. એ એની મેળે ફૂલ લાઈટ આપે ચોગરદમનું, મોક્ષે લઈ જાય ત્યાં સુધી. છોડે નહીં, જો ઉત્પન્ન થઈ ગયું તો.

‘પ્રજ્ઞા’ એ મૂળ આત્માની શક્તિ

પ્રશ્નકર્તા : પ્રજ્ઞાશક્તિ શું છે ?

દાદાશ્રી : પ્રજ્ઞા નામની શક્તિ છે તે આત્મામાંથી જુદી પડે છે. કારણ કે એ આત્મા આમાં કામ કરી શકે નહીં. એ શક્તિ એનાથી જુદી પડે છે તે આને મોક્ષે લઈ જતા સુધી (ખરેખર

(પા.૭)

કેવળજ્ઞાન થતાં સુધી). પછી આનો મોક્ષ થાય છે ને એ પોતેય એકાકાર થઈ જાય છે.

એક વાર આત્મા પ્રગટ થયો એટલે મહીં જે ચેતવ ચેતવ કરે છે તે પ્રજ્ઞા છે. પ્રજ્ઞા નિરંતર આત્મહિત જ જોયા કરે છે. પછી બધું પ્રજ્ઞા જ કરી લે છે, ઠેઠ મોક્ષે જતાં સુધી.

જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી આત્માને કશું કરવું પડતું નથી. આત્માની એક ‘પ્રજ્ઞા’ નામની શક્તિ બહાર પડે છે. એનું કામ શું ? દિન-રાત ‘એને’ ‘એ’ આ બાજુ, એને મોક્ષે લઈ જવા માટેજ ફેરવ ફેરવ કરે છે. અને ‘અજ્ઞા’ નામની શક્તિ એ રાત-દહાડો સંસારમાં જ ખેંચી જવા માગે છે. આ બેનું સંઘર્ષણ હોય છે અંદર. આ બેનું સંઘર્ષણ નિરંતર ચાલ્યા જ કરે. એટલે આપણા લોક પછી શું કહે છે ? મહીં કોઈ ચેતવે છે, ચેતવે છે એ જ પ્રજ્ઞા. એ મોક્ષે લઈ જતાં સુધી ‘એને’ છોડે નહિ. મોક્ષે લઈ જવું એટલે ‘પોતે’ (પ્રજ્ઞાને) આત્મામાં સમાઈ જવું ને ‘એને’ (‘હું’ને)ય પોતાને આત્મામાં સમાઈ જવું છે. ‘અજ્ઞા’ એ બુદ્ધિ છે અને ‘પ્રજ્ઞા’ એ મૂળ વસ્તુ છે.

આત્માનું અંગ - ‘પ્રજ્ઞા’

પ્રશ્નકર્તા : પ્રજ્ઞાશક્તિ એ જ આત્મા કે જુદું ?

દાદાશ્રી : આત્મા અને પ્રજ્ઞા બે જુદી વસ્તુ છે. આત્મા પ્રગટ થાય પછી પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે. આત્માનું એ અંગ છે.

પ્રશ્નકર્તા : ઘણી વખત વાતચીતમાં આપણે વાપરીએ છીએ ને કે પ્રજ્ઞા એ આત્માનો ભાગ છે.

દાદાશ્રી : હા, તે છે જ ને !

પ્રશ્નકર્તા : આત્માનો ભાગ છે ?

દાદાશ્રી : આત્માનો ભાગ, એનો અર્થ એવો નહીં કરવાનો. તમે તમારી ભાષામાં લઈ જાવ છો બધી વાતો.

એ એનો સ્વભાવ છે કે અમુક કાળ ઉત્પન્ન થયો કે પ્રજ્ઞા પોતે ઉત્પન્ન થઈ જાય અને પછી મોક્ષે પહોંચાડી ને પછી લય થઈ જાય. આ અજ્ઞાય ઉત્પન્ન થઈ ગયેલી છે અને લય થઈ જાય.

પ્રજ્ઞાનું કાર્ય કેવળજ્ઞાન થતાં જ પૂરું થાય છે. માટે તેને આત્મભાવ ના જ કહી શકાય. કારણ તેમ જો કહેવામાં આવે તો તે તેનો અન્વય ગુણ ગણાય અને અન્વય ગુણ કહીએ તો સિદ્ધ ક્ષેત્રમાં વિરાજેલા સિદ્ધ ભગવંતોને પણ પ્રજ્ઞા હોય, પણ તેમ નથી હોતું. કારણ ત્યાં તેનું કંઈ જ કાર્ય હોતું નથી. ફુલ્લી ઈન્ડિપેન્ડન્ટ ગવનર્્મેન્ટનું સ્થાપન થયા પછી ઈન્ટ્રિમ ગવનર્્મેન્ટ એની મેળે જ ખલાસ થઈ જાય છે, તેવું જ પ્રજ્ઞાનું પણ છે.

ભગવાનની રિપ્રેઝેન્ટેટિવ - ‘પ્રજ્ઞા’

પ્રશ્નકર્તા : તો પ્રજ્ઞામાં થોડો-ઘણો વિકલ્પનો ભાગ ખરો ?

દાદાશ્રી : વિકલ્પ લાગે-વળગે નહીં ત્યાં આગળ. વિકલ્પ બધો અજ્ઞામાં. આમાં વિકલ્પ-બિકલ્પ કશો હોય નહીં, નિર્વિકલ્પી છે એ. ચેતન છે, જડ નથી.

પ્રશ્નકર્તા : પ્રજ્ઞા એ પુદ્ગલ છે ?

દાદાશ્રી : ના, એ પુદ્ગલ નથી, એ વચલો ભાગ છે. આત્મા મોક્ષે જતા સુધી એ રહે. સ્ટીમરમાં ચઢવા સીડીઓ મૂકે છે ને પછી ઉઠાવી લે છે એના જેવું છે.

પ્રશ્નકર્તા : પ્રજ્ઞા એ પુદ્ગલ નથી, એ આત્મા ને પુદ્ગલ વચ્ચેનો ભાગ છે ?

દાદાશ્રી : નહીં, આત્મા ને પુદ્ગલ વચ્ચેનો

(પા.૮)

ભાગ નથી. એ આત્માનો એક ભાગ જુદો પડી જાય છે, અમે જ્ઞાન આપીએ છીએ તે દહાડે. તે ઠેઠ મોક્ષે લઈ જતાં સુધી આત્મા કંઈ કરે નહીં આમાં. એટલે આત્માનો ભાગ જુદો રહીને કામ કર્યા કરે. જ્યારે આત્માનો અધિકાર જ બધો પ્રજ્ઞાના હાથમાં છે, કુલમુખત્યાર પત્ર જેવું !

પ્રશ્નકર્તા : એટલે પછી ભગવાન શું કરે ? એ તો જ્ઞાતા-દ્રષ્ટા છે. કશામાં હાથ ઘાલતા જ નથી, વીતરાગ છે.

દાદાશ્રી : હાથ ઘાલવાનું રહે જ નહીં ને ! પ્રજ્ઞા તો ભગવાનની રિપ્રેઝેન્ટેટિવ જેવી છે.

રિયલમાંથી ઉત્પન્ન થનારી પ્રજ્ઞાશક્તિ

સંસાર અજ્ઞાનથી ઊભો થાય છે અને પ્રજ્ઞાથી આથમી જાય છે. પ્રજ્ઞા ઉત્પન્ન થયા પછી રાગ-દ્વેષ નીંદી નખાય, આત્માને કશું કરવું પડતું નથી. આત્મા પ્રાપ્ત થયા પછી પ્રજ્ઞા ઉત્પન્ન થાય, તે રિયલ અને રિલેટિવ બન્નેનું સંભાળે. ‘રિયલ’-‘રિલેટિવ’ એ પ્રજ્ઞા જુએ છે, આત્મા જોતો નથી. પ્રજ્ઞા જુએ એટલે એ આત્મા ખાતે જ ગયું. જગતના લોકો જુએ એ અજ્ઞા જુએ છે, એટલે એ અહંકારના ખાતે ગયું. બેઉના જોવા-જાણવામાં ફેર છે. પેલું ઈન્દ્રિયગમ્ય છે ને આ અતીન્દ્રિયગમ્ય છે.

પ્રશ્નકર્તા : એટલે પ્રજ્ઞા ‘રિલેટિવ’માંથી આવે છે કે ‘રિયલ’માંથી ?

દાદાશ્રી : એ ‘રિયલ’માંથી આવે છે. એટલે એ ‘રિયલ’માંથી ઉત્પન્ન થનારી શક્તિ છે. રિયલમાંથી ઉત્પન્ન થનારી શક્તિ એ પ્રજ્ઞા અને રિલેટિવમાંથી ઉત્પન્ન થનારી શક્તિ એ અજ્ઞા કહેવાય.

મિથ્યાત્વ ફ્રેક્ચર થતાં પ્રજ્ઞા હાજર

પ્રશ્નકર્તા : પ્રજ્ઞાનું ઉદ્ભવસ્થાન કયું ?

દાદાશ્રી : એનું સ્થાન ના હોય, એનો તો કાળ હોય. એ પેલું મિથ્યાત્વ જે કાળે ફ્રેકચર થઈ જાય ને, એટલે પ્રજ્ઞા હાજર થઈ જાય. બુદ્ધિ પર ઘા પડ્યો એટલે હાજર થઈ જાય.

પ્રશ્નકર્તા : પ્રજ્ઞા કેવી રીતે ઉત્પન્ન થાય અને ક્યાંથી ઉત્પન્ન થઈ ?

દાદાશ્રી : એ તો ‘અમે’ જ્ઞાન આપીએ તેની સાથે જ ઉત્પન્ન થાય. જ્ઞાનથી પ્રજ્ઞા ઊભી થઈ ગઈ. પ્રજ્ઞાનું કામ ચાલુ થઈ ગયું.

અજ્ઞાથી અહંકાર હોય. પ્રજ્ઞા નિર્અહંકાર થયા પછીથી ઉત્પન્ન થાય. ‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષ બેઠું, પછી પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય.

જ્ઞાન પછી અજ્ઞા ઘટશે, પ્રજ્ઞા વધશે

પ્રશ્નકર્તા : અજ્ઞા અને પ્રજ્ઞા એ બેમાંથી ચાલે કોનું ?

દાદાશ્રી : આ તો બેઉનું ચાલે છે. સૌ સૌના ક્ષેત્રમાં, પોતપોતાના ક્ષેત્રમાં બન્નેયનું ચાલે છે.

પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન પછી અજ્ઞા અને પ્રજ્ઞા બંને સાથે રહે, તે અજ્ઞા હોય ત્યારે પ્રજ્ઞા ન હોય અને પ્રજ્ઞા હોય ત્યારે અજ્ઞા ના હોય ?

દાદાશ્રી : ના, બેઉ સાથે રહે છે. એમાં ગૂંચવણી ચાલ્યા કરે. આપણને આ જ્ઞાન આપ્યું છે તોય દેહમાં સાથે રહે છે બંને. એટલે એ અજ્ઞા થોડુંક સફોકેશન કરાવડાવે, ગુંગળામણ કરાવડાવે. ધીમે ધીમે હવે એ અજ્ઞાશક્તિ નાશ થવાની, પેલી પ્રજ્ઞા વધવાની.

પ્રશ્નકર્તા : ગૂંચવણ થાય એટલે એમ લાગે કે અજ્ઞાશક્તિ જવાની છે.

દાદાશ્રી : ગૂંચવાય તે ઘડીએ અજ્ઞાશક્તિ. પછી એનું કશું ચાલતું નથી એટલે ગૂંચવાય અને

(પા.૯)

પછી ખલાસ થઈ જાય. એ અજ્ઞાશક્તિ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી રહ્યા કરવાની. અને જેટલી અજ્ઞાશક્તિ ઓછી થઈ એટલી પ્રજ્ઞાશક્તિ મુક્ત થઈ. સફોકેશન-ગુંગળામણ કરાવે બધું. આપણું કશું લઈ ના જાય, પણ ગુંગળામણ કરાવે એટલે સુખ આવતું હોય તે ના આવવા દે. આત્માની જોડે બેઠા છીએ, તો સુખ આવવું જોઈએ, વેદન થવું જોઈએ, પણ ના થવા દે. એને ગુંગળાવા દે. ચિંતા ના કરાવડાવે, એ ગુંગળાવે ખાલી.

પહેલા આપણી સંસારની બધી ઈચ્છાઓ ઊભી થઈ, એ ઈચ્છાઓ પૂરી કરવા માટે અજ્ઞાશક્તિ કામ કરી રહી છે. પણ હવે અજ્ઞાશક્તિનું જોર એકદમ વધવાનું નહીં. એમાંથી બીજી ઈચ્છાઓ ઊભી થાય એવું નથી. એટલે બીજમાંથી બીજ પડે એવું નહીં. જે છે એના એ અને જોડે જોડે આપણને પ્રજ્ઞાશક્તિ કહે છે, મારે નિકાલ જ કરી નાખવો છે આ બધો. હવે પેન્ડિંગ નથી રાખવું, બા. નિકાલ એટલે પતાવટ કરવી, જેને કહેવાય ને !

પ્રજ્ઞા અને દિવ્યચક્ષુ

પ્રશ્નકર્તા : અમોને આપે બક્ષેલા દિવ્યચક્ષુથી, અમારામાં ઉદ્ભવતા ક્રોધ-માન-માયા-લોભ, અબ્રહ્મચર્યના પરિણામો દ્રષ્ટિગોચર થયા કરે છે, તે દિવ્યચક્ષુ તે જ પ્રજ્ઞાશક્તિ ?

દાદાશ્રી : પ્રજ્ઞાશક્તિથી જ આ દેખાય છે. જ્યારે દિવ્યચક્ષુ તો એક જ કામ કરે, કે બીજાનામાં શુદ્ધાત્મા જોવાનું. બાકી આ બીજું બધું ક્રોધ-માન-માયા-લોભ, અબ્રહ્મચર્યના પરિણામ બધા મહીં દેખાય છે, એ બધું પ્રજ્ઞાશક્તિનું કામ છે. જ્યાં સુધી સંસારના પરિણામ નિકાલ કરવાના બાકી છે, ત્યાં સુધી એ પ્રજ્ઞા કામ કરે છે.

એટલે દિવ્યચક્ષુ તો એક જ કામ કરે, બસ. આ ચામડાના ચક્ષુ રિલેટિવ દેખાડે અને દિવ્યચક્ષુ રિયલ દેખાડે. દિવ્યચક્ષુ બીજું કશું કામ જ નથી કરતા.

પ્રશ્નકર્તા : પ્રજ્ઞા અને દિવ્યચક્ષુ એક છે ?

દાદાશ્રી : ના, દિવ્યચક્ષુ એ ચક્ષુ છે ને પ્રજ્ઞા એ તો એક શક્તિ છે. દિવ્યચક્ષુ તો તમે ના વાપરો તો ના વપરાય, પણ એક વાર પ્રજ્ઞા જાગૃત થઈ જાય, પછી એ નિરંતર ચેતવ્યા જ કરે.

પ્રજ્ઞાનું કાર્ય

આ પ્રજ્ઞાનું ફંક્શન શું ? કાર્ય શું ? પ્રજ્ઞા એ તો ‘પતિ એ જ પરમેશ્વર માનતી વફાદાર પત્ની’નું કામ કરે છે. આત્માના સંપૂર્ણ હિતનું જ દેખાડે ને અહિતને છોડાવે. જેટલા જેટલા બાહ્ય સંયોગ આવે તેટલાનો સમભાવે નિકાલ કરી આપે અને પાછી સ્વરૂપના ધ્યાનમાં બેસી જાય. એટલે કે મહીંનુંય કાર્ય કરે ને બહારનુંય કરે, ‘ઈન્ટ્રિમ ગવર્નમેન્ટ’ની જેમ. અને તેય જ્યાં સુધી ફુલ્લી ઈન્ડિપેન્ડન્ટ ગવર્નમેન્ટ સ્થાપિત ના થાય ત્યાં સુધી.

હવે અજ્ઞામાં શું હોય કે ‘આ મેં કર્યું, મેં દુઃખ ભોગવ્યું, પેલાએ કર્યું, પેલાએ ગાળ ભાંડી મને.’ પ્રજ્ઞા શું કહે છે કે ‘હું કર્તા નહીં, હું ભોક્તા નહીં, હું જ્ઞાતા.’ સામાએ મને ગાળ ભાંડી એ નિમિત્ત છે બિચારો, એ સામો પણ કર્તા નથી, એ છેલ્લામાં છેલ્લું જ્ઞાન. સામો કર્તા નથી દેખાતો અને પોતે કર્તા નથી એ ભાન રહ્યું, એ છેલ્લામાં છેલ્લું મોક્ષનું સાધન આટલું.

‘જ્ઞાની પુરુષ’ મળે ત્યારે પ્રજ્ઞાદેવી હાજર થાય છે. અજ્ઞાદેવી સંસારની બહાર નીકળવા ના દે અને પ્રજ્ઞાદેવી સંસારમાં પેસવા ના દે. આ બન્નેનો ઝઘડો ચાલ્યા કરે ! આમાં જેનું બળ હોય તે જીતી જાય. ‘આપણે’ ‘શુદ્ધાત્મા’ થયા એટલે પ્રજ્ઞાદેવીના પક્ષકાર થયા ને એટલે એની જીત થાય જ.

(પા.૧૦)

પ્રજ્ઞા આત્માની, બુદ્ધિ પાવર ચેતનની

પ્રજ્ઞા એ છે તે મૂળ આત્માની શક્તિ છે. અને આ (આત્મા-અનાત્મા) બેનું સંપૂર્ણ ડિવિઝન થઈ ગયા પછી, પૂરેપૂરા ખુલ્લેખુલ્લા થઈ ગયા પછી, છૂટા થઈ ગયા પછી એ આત્મામાં ફિટ થઈ જાય છે. ત્યાં સુધી મોક્ષમાં લઈ જવા માટે એ જુદી પડે છે, આત્મામાંથી.

પ્રશ્નકર્તા : એટલે પ્રજ્ઞાશક્તિ આત્માની જ કહેવાય ?

દાદાશ્રી : હા, પ્રજ્ઞાશક્તિ આત્માની છે અને બુદ્ધિશક્તિ આ પાવર ચેતનની છે.

પ્રશ્નકર્તા : એટલે બુદ્ધિની પ્રજ્ઞા થઈ જાય ?

દાદાશ્રી : ના, બુદ્ધિની પ્રજ્ઞા ના થઈ જાય. બુદ્ધિ બુદ્ધિની જગ્યાએ રહે અને પ્રજ્ઞા પ્રગટ થાય. અમે આ જ્ઞાન આપીએ કે તરત પ્રજ્ઞા પ્રગટ થાય. પ્રજ્ઞા તમને નિરંતર મોક્ષમાં લઈ જવા ફરે અને બુદ્ધિ તમને આ બાજુ નીચે લઈ જવા ફરે. આ જે ચેતવે છે ને મહીં, તે પ્રજ્ઞા ચેતવે છે કે ‘આમ નહીં ને આમ’, એવું ચેતવે.

પ્રશ્નકર્તા : પ્રજ્ઞા પણ પાવર ચેતન જ ને ?

દાદાશ્રી : ના, પાવર ચેતન નથી, એ મૂળ ચેતન છે. પણ મૂળ ચેતનમાંથી જુદી પડેલી, તે આ કાર્ય કરવા પૂરતી જ. પછી મૂળ આત્મા સાથે એક થઈ જશે પાછી.

બુદ્ધિ ઈનડિરેક્ટ ને પ્રજ્ઞા ડિરેક્ટ પ્રકાશ

પ્રશ્નકર્તા : દાદા, સામાન્ય બુદ્ધિ અને પ્રજ્ઞામાં શું ફેર ?

દાદાશ્રી : સામાન્ય બુદ્ધિ એટલે કોમનસેન્સ. એ હંમેશાય સંસાર ઉકેલી આપે. સંસારના બધા તાળા ઉકેલી આપે, પણ મોક્ષનું તાળું એકુંય ના ઉકેલી શકે.

પ્રજ્ઞા એ વસ્તુ જુદી છે. પ્રજ્ઞા તો બુદ્ધિથી પર વસ્તુ છે. બુદ્ધિનો સ્વભાવ કેવો છે કે બુદ્ધિ અજ્ઞામાંથી ઊભી થયેલી છે.

પ્રશ્નકર્તા : એક્ઝેક્ટલી (ખરેખર) બુદ્ધિ શું કામ કરે છે ?

દાદાશ્રી : એક્ઝેક્ટલી બુદ્ધિનો જો મીનિંગ (અર્થ) જોવા જાય તો નિર્ણય આપવા સિવાય બીજું કામ જ નથી કરતી.

પ્રશ્નકર્તા : એટલે ડિસિઝન (નિર્ણય) બુદ્ધિ જ લે છે ?

દાદાશ્રી : હા, ડિસિઝન બુદ્ધિ લે છે. બે પ્રકારના ડિસિઝન, એક મોક્ષે જવાનું ડિસિઝન પ્રજ્ઞા લે છે અને સંસારનું ડિસિઝન અજ્ઞા લે છે. અજ્ઞા એટલે બુદ્ધિ. અજ્ઞા-પ્રજ્ઞાના ડિસિઝન છે આ બધા.

પ્રશ્નકર્તા : અજ્ઞાશક્તિ એટલે બુદ્ધિ ?

દાદાશ્રી : હા, એ બુદ્ધિ જ. પણ બુદ્ધિ-અહંકાર બધું ભેળું થઈને પછી એ શક્તિ થાય છે. એકલી બુદ્ધિ હોય ત્યારે તો બુદ્ધિ કહીએ એને આપણે ને પ્રજ્ઞા એટલે જ્ઞાન. આત્મા બધું ભેળું થઈને પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય.

પ્રજ્ઞા એ આત્માનો ડિરેક્ટ પ્રકાશ છે, જ્યારે બુદ્ધિ એ ઈનડિરેક્ટ પ્રકાશ છે, મીડીયમ થ્રુ પ્રકાશ છે.

પ્રજ્ઞા-બુદ્ધિના કાર્યમાં ફેર

પ્રશ્નકર્તા : આ પ્રજ્ઞાએ કામ કર્યું કે બુદ્ધિએ કામ કર્યું, એ કઈ રીતે ખબર પડે ? બુદ્ધિ અને પ્રજ્ઞાની વ્યાખ્યા શી ? કંઈક વાત થાય તો બુદ્ધિ દોડાવી, બુદ્ધિ ઊભી થઈ કહે છે, તો બુદ્ધિ શું ?

દાદાશ્રી : અજંપો કરે તે બુદ્ધિ. પ્રજ્ઞામાં અજંપો ના હોય. આપણને સહેજ પણ અજંપો

(પા.૧૧)

થાય તો જાણવું કે બુદ્ધિનું ચલણ છે. તમારે બુદ્ધિ નથી વાપરવી તોય વપરાય જ છે. એ જ તમને જંપીને બેસવા નથી દેતી. એ તમને ‘ઈમોશનલ’ કરાવડાવે. એ બુદ્ધિને આપણે કહેવું કે ‘હે બુદ્ધિબેન ! તમે તમારે પિયર જાવ. અમારે હવે તમારી જોડે કંઈ લેવાદેવા નથી.’ સૂર્યનું અજવાળું થાય, પછી મીણબત્તીની જરૂર ખરી ? એટલે આત્માનો પ્રકાશ થયા પછી બુદ્ધિના પ્રકાશની જરૂર રહેતી નથી.

હવે એ બુદ્ધિ સંસારની બહાર નીકળવા ના દે એવી છે. ‘પોતાને’ મુક્ત થવાની ઈચ્છા થાય તો બુદ્ધિ ‘એને’ ફેરવી નાખે. કારણ કે સંસારમાં જ રાખે એ અને સંસારમાં હેલ્પ કરે. તે સંસારમાં આપણને સેફસાઈડ કરી આપે. આ પ્રજ્ઞા બિલકુલ સંસારમાં રહેવા ના દે, ચેતવ ચેતવ કરે, કે ‘અહીં ગૂંચ છે, અહીં ચૂક છે’ અને મોક્ષે લઈ જવા ફરે. એ બેનું ઘર્ષણ ચાલ્યા કરે.

પ્રશ્નકર્તા : પ્રજ્ઞા એ બુદ્ધિથી પણ બહુ ઊંચી વસ્તુ છે ?

દાદાશ્રી : હા, એ બુદ્ધિથી ઊંચી છે પણ પ્રજ્ઞાથી વિજ્ઞાન ઘણું ઊંચું છે. પણ આ જે વિજ્ઞાન તમે માનો છો ને, એ બુદ્ધિનું વિજ્ઞાન છે. એટલે અત્યારે આ ચાલુ છે, એ વિજ્ઞાનની વાત કરો છો ? એ વિજ્ઞાનનો અર્થ તમે તમારી ભાષામાં સમજ્યા છો. આ લોકભાષામાં જેને વિજ્ઞાન કહે છે, તેને તમે વિજ્ઞાન કહો છો ? એ તો ભૌતિક વિજ્ઞાન છે અને અમે અધ્યાત્મ વિજ્ઞાનની વાત કરીએ છીએ.

પ્રજ્ઞા અને સમ્યક્ બુદ્ધિમાં ફેર

પ્રશ્નકર્તા : દાદા, સમ્યક્ બુદ્ધિ એ જ પ્રજ્ઞા ?

દાદાશ્રી : ના, પ્રજ્ઞા એથી ઊંચો ભાગ છે. પ્રજ્ઞા તો પ્રતિનિધિ છે આત્માની.

પ્રશ્નકર્તા : સમ્યક્ બુદ્ધિ અને પ્રજ્ઞામાં મૂળ તફાવત કયો ?

દાદાશ્રી : પેલી બુદ્ધિ એટલે બુદ્ધિ. જ્યાં સુધી બુદ્ધિ છે ને, ત્યાં સુધી એનો માલિક છે. બુદ્ધિ માલિકીપણાવાળી હોય. પ્રજ્ઞાનો કોઈ માલિક નહીં. બુદ્ધિ તો વિપરીત હોય તોય છે તે માલિકીવાળી હોય. સમ્યક્ બુદ્ધિ હોય તોય માલિકીવાળી.

પ્રશ્નકર્તા : સમ્યક્ બુદ્ધિ હોય પણ માલિકીવાળી હોય તો નુકસાન કરે ખરી કે બધું સાચું જ બતાવે ?

દાદાશ્રી : ચોક્કસ, નુકસાન કરે જ ને ! એ તો ક્યારે બુદ્ધિ ફરી જાય એનું શું કહેવાય ? સમ્યક્તાને ભજે છે, તે ક્યારે વિપરીતતાને ભજે કહેવાય નહીં. અને સમ્યક્ બુદ્ધિ એટલે શું ? સંસારમાં સમ્યક્ બુદ્ધિ હોય નહીં. પુસ્તકથી સમ્યક્ બુદ્ધિ ઉત્પન્ન થાય નહીં. સમ્યક્ બુદ્ધિ જ્ઞાની પુરુષની પાસેથી જ્યારે વાત સાંભળે ત્યારે એની બુદ્ધિ સમ્યક્ થાય. હા, પછી એ બુદ્ધિ એટેકિંગ સ્વભાવની કે એવું તેવું ના કરે. એટેક ના કરે, હુમલો ના કરે, એનું નામ સમ્યક્ બુદ્ધિ. ગમે તેવા સંજોગમાં હુમલો ના કરે, એનું નામ સમ્યક્ બુદ્ધિ અને હરેક સંજોગમાં હુમલો કરે, એનું નામ વિપરીત બુદ્ધિ.

પ્રજ્ઞા ડાયરેક્ટ પ્રકાશ છે અને સમ્યક્ બુદ્ધિ ઈનડાયરેક્ટ પ્રકાશ છે. એટલે પ્રજ્ઞા એ ડાયરેક્ટ આત્માનો જ ભાગ છે, જ્યારે પેલી સમ્યક્ બુદ્ધિ એવી નથી. છતાં એનોય નિવેડો તો લાવવો જ પડશે.

પ્રશ્નકર્તા : પણ સમ્યક્ બુદ્ધિ ઉપકારી તો ખરી ને ?

દાદાશ્રી : જ્યાં સુધી સ્ટેશને પહોંચ્યા નથી

(પા.૧૨)

ત્યાં સુધી ઉપકારી. સ્ટેશન પર ગયા પછી આગળ જવા માટે એ ઉપકારી નથી.

પ્રશ્નકર્તા : પણ જ્ઞાન લીધા પછી સમ્યક્ બુદ્ધિ રહેતી નથી ને કે રહે છે ?

દાદાશ્રી : જ્ઞાન લીધા પછી તો પ્રજ્ઞા ઉત્પન્ન થઈ જાય. પછી એને સમભાવે નિકાલ કરવા માટે પ્રજ્ઞા હેલ્પ કરે. એટલે સમ્યક્ બુદ્ધિ અને પ્રજ્ઞામાં બહુ ફેર ! સમ્યક્ બુદ્ધિ તો બુદ્ધિ કહેવાય અને પ્રજ્ઞા તો પરમેનન્ટ વસ્તુનો ભાગ છે, એક જાતનો.

પ્રશ્નકર્તા : પ્રજ્ઞા જેવી રીતે ચેતવે છે, તો સમ્યક્ બુદ્ધિ શું હેલ્પ કરે ?

દાદાશ્રી : એ એવું જ કામ કરે પણ એ તો પોતે જ વિનાશી ને ! એટલે કંઈ મોટી ચેતવણી ના આપી શકે.

પ્રશ્નકર્તા : ખાલી હિતાહિતનું ભાન રાખે એટલું જ.

દાદાશ્રી : એ તો તેની તે જ બુદ્ધિ, આ સંસારી બુદ્ધિ હોય છે ને એવી. તે પણ જ્ઞાની પુરુષની પાસે બેસી રહીએ એટલે એ બુદ્ધિ પછી સમ્યક્ થઈ જાય. સમ્યક્ થતી જાય બુદ્ધિ. બાકી સમ્યક્ તો જ્ઞાન એકલું જ હોય, પણ આ બુદ્ધિ સમ્યક્ થઈ જાય. અવ્યભિચારિણી બુદ્ધિ એ તો અશાંતિમાંય શાંતિ કરાવે, પ્રજ્ઞા આવતા પહેલાનું સ્ટેજ.

કૃષ્ણ ભગવાને બે પ્રકારની બુદ્ધિ કહી; વ્યભિચારિણી અને અવ્યભિચારિણી. અવ્યભિચારિણી બુદ્ધિ સ્થિર થતી જાય, અસ્થિર તો છે જ અત્યારે. અસ્થિર એટલે ઈમોશનલ. તે સ્થિર થતી જાય, દહાડે દહાડે. સ્થિર થઈ ત્યારે એનું જેમ સત્તાણું પછી અઠ્ઠાણું, નવ્વાણું સંખ્યામાં ગણાય અને સો મુખ્ય વસ્તુ કહેવાય ત્યારે પૂર્ણાહુતિ થાય. હંડ્રેડ પરસન્ટ, સેન્ટ પરસન્ટ કહેશે. આ સ્થિતપ્રજ્ઞ દશા એ બુદ્ધિની સ્થિરતાનું સેન્ટ પરસેન્ટ છે અને પ્રજ્ઞા તો ફુલ વસ્તુ જ છે, મૂળ વસ્તુ જ.

પ્રજ્ઞા અને સ્થિતપ્રજ્ઞમાં ફેર

પ્રશ્નકર્તા : પ્રજ્ઞા, સ્થિતપ્રજ્ઞ, એ શબ્દોમાં સ્થિતપ્રજ્ઞ સમજાવો.

દાદાશ્રી : પોતાને જે સાચી રીતે ઓળખવું એ સમજ છે ને એની મહીં સ્થિર થવું, એ સ્થિતપ્રજ્ઞ કહેવાય.

સ્થિતપ્રજ્ઞ એ દશા છે. પ્રજ્ઞા આવવાની નજીકમાં આ દશા આવે છે. પ્રજ્ઞા શરૂ થવાની નજીકમાં એ દશા આવે છે. જે દશા સંસારમાં બધી સાક્ષીભાવની હોય એ.

પ્રજ્ઞા તો આત્મા પ્રાપ્ત થયા પછી ઉત્પન્ન થાય અને સ્થિતપ્રજ્ઞ દશા એ આત્મા થતા પહેલા થાય, તે વ્યવહારમાં અહંકાર સહિત હોય છે. પણ વ્યવહાર બહુ સુંદર હોય.

સ્થિતપ્રજ્ઞ થાય ત્યારે અજ્ઞાશક્તિ છે તે કોઈ વખત ચઢીય બેસે. સ્થિતપ્રજ્ઞની મદદથી જતી રહેય ખરી, પણ ચઢી બેસવાનો ભય ખરો સ્થિતપ્રજ્ઞમાં. પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થયા પછી ભય ના રહે.

પ્રશ્નકર્તા : આ સ્થિતપ્રજ્ઞની જે વાત છે, એ જરા હજી વિગતથી સમજાવો.

દાદાશ્રી : એ તો માણસ છે તે શાસ્ત્રનું ખૂબ અધ્યયન કરે, સંતોની સેવા કરે, તનતોડ ખૂબ ધંધા કરે ને ધંધામાં ખોટ આવે. તે બધી જાતના અનુભવો તરી તરીને (તારણ કાઢીને) જાય, પછી આગળ ખસતો ખસતો જ્યારે બુદ્ધિ સ્થિર થાય ત્યારે સ્થિતપ્રજ્ઞ કહેવાય. બુદ્ધિ એની સ્થિર થઈ જાય. આમથી પવન આવે તોય આમ હાલે નહીં,

(પા.૧૩)

આમથી આવે તોય આમ ના હાલે, એવી સ્થિરબુદ્ધિ હોય ત્યારે સ્થિતપ્રજ્ઞ કહેવાય.

સ્થિતપ્રજ્ઞ દશા એ બહુ જ સદ્વિવેકવાળી જાગૃતિ દશા છે. એ અનુભવ કરતા કરતા ઉપર આવે. સ્થિતપ્રજ્ઞ દશા કરતા જનકવિદેહીની દશા ઊંચી હતી.

પ્રશ્નકર્તા : પ્રજ્ઞા અને સ્થિતપ્રજ્ઞ એ બન્ને વચ્ચે કોઈ ડિમાર્કેશન લાઈન જેવું ખરું ?

દાદાશ્રી : બહુ ફેર. સ્થિતપ્રજ્ઞ દશા તો પ્રજ્ઞા કરતા બહુ હલકી (નિમ્ન) છે. સ્થિતપ્રજ્ઞ એટલે શું, કે પોતે પોતાની બુદ્ધિથી વિચારી વિચારીને સ્થિર થાય. અને એટલે પોતે પોતાના પ્રશ્નોનું સોલ્યુશન લાવી શકે. પણ તે સ્થિતપ્રજ્ઞ કહેવાય, અને પ્રજ્ઞા એ તો બહુ ઊંચી વસ્તુ. સ્થિતપ્રજ્ઞ એ બુદ્ધિને સ્થિર કરેલી એટલું જ છે, બીજું કંઈ નહીં.

સ્થિતપ્રજ્ઞ કરતા ઊંચી દશા

પ્રશ્નકર્તા : આ સ્થિતપ્રજ્ઞ દશામાં પણ રાગ-દ્વેષ રહિત દશા કહી છે, વીતરાગતા જેવી ?

દાદાશ્રી : ના, એ રાગ-દ્વેષ રહિત દશા નથી, પણ દરેક પ્રશ્નોનું સોલ્યુશન લાવી નાખે. એટલે કોઈની પર રાગ-દ્વેષ કરે નહીં. એ સોલ્યુશન આવે એટલે કોણ રાગ-દ્વેષ કરે પછી ? પણ બધું બુદ્ધિથી. અવ્યભિચારિણી બુદ્ધિની સ્થિરતા એનું નામ સ્થિતપ્રજ્ઞ, જ્યારે લોકોની અસ્થિર બુદ્ધિ હોય. એ જેની બુદ્ધિ સ્થિર થયેલી છે એ સ્થિતપ્રજ્ઞ કહેવાય. કારણ કે બુદ્ધિ વિશેષ વધીને અજ્ઞામાંથી આગળ વધતી વધતી ઠેઠ સ્થિતપ્રજ્ઞ સુધી પહોંચે.

સ્થિતપ્રજ્ઞ લોકોને શી રીતે થાય છે, કે એમને એમ લાગે કે ‘હું આત્મા છું’, એમાં થોડો વખત સ્થિર રહેવાય અને પછી પાછું આઘુંપાછું થવાય તે સ્થિતપ્રજ્ઞ. પ્રજ્ઞામાં સ્થિર થવા જાય ને પાછો આઘોપાછો થાય. એ નિરંતર રહી શકાય જ નહીં ને ! આ તો સાયન્સ આખું હાથમાં આવે નહીં ને ! કારણ કે ચાર વેદ ભણે ને, ત્યારે વેદ ઈટસેલ્ફ કહે છે કે ધીસ ઈઝ નોટ ધેટ, ધીસ ઈઝ નોટ ધેટ, ધીસ ઈઝ નોટ ધેટ. તો વોટ ઈઝ ધેટ ? ત્યારે કહે, ‘ગો ટુ જ્ઞાની.’ કારણ કે એ અવક્તવ્ય-અવર્ણનીય શબ્દોમાં શી ઉતરે ? આત્મા શબ્દમાં ઉતરે શી રીતે ? એટલે એને અવક્તવ્ય કહ્યો, અવર્ણનીય કહ્યો.

સ્થિતપ્રજ્ઞ દશા કરતા પ્રજ્ઞાશક્તિ બહુ ઊંચી છે. સ્થિતપ્રજ્ઞ દશામાં તો વ્યવહારનો એક્કો હોય. બીજું, લોકોના તરફની નિંદા, એવી વસ્તુ ના હોય. એ એની જાતને સ્થિતપ્રજ્ઞ માની શકે. કારણ કે એની બુદ્ધિ સ્થિર થઈ છે. પણ આ પ્રજ્ઞા એ તો મોક્ષે લઈ જાય. સ્થિતપ્રજ્ઞવાળાને મોક્ષે જવાને માટે હજુ આગળ બધો માર્ગ જોઈશે.

પ્રશ્નકર્તા : તો સ્થિતપ્રજ્ઞ એ પ્રજ્ઞા પહેલાની સ્થિતિ છે ?

દાદાશ્રી : હા, એ પ્રજ્ઞા પહેલાની સ્થિતિ છે, પણ આ તો આ લોકોએ બહુ મોટી વસ્તુ ચઢાવી દીધી. સ્થિતપ્રજ્ઞ તો નીચેની સ્થિતિ છે. પછી પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે. પહેલું સ્થિતપ્રજ્ઞ થતું થતું થતું પછી પ્રજ્ઞા થાય છે.

આ તો સ્થિતપ્રજ્ઞ એટલે પ્રજ્ઞા થોડી થોડી, અંશે અંશે આવે અને એમાં સ્થિર થાય એ પોતે, અને આપણે અહીં જ્ઞાન આપીએ છીએ ત્યારે તો સર્વાંશે જ પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે.

પ્રજ્ઞા ચેતવે અહંકારને

પ્રશ્નકર્તા : અમુક વિચારો આવે છે, એને આપણે કહીએ કે આ બધું ખોટું છે તારું. હવે એ કહેનાર કોણ ? તમે મળ્યા પછી, પહેલા તો હતું

(પા.૧૪)

જ નહીં કશું, તો એ કોણ દોરવણી આપે છે, પ્રજ્ઞા કે બુદ્ધિ ?

દાદાશ્રી : પ્રજ્ઞા ચેતવે આપણને. કારણ કે મોક્ષે જવાનો હવે વિઝા મળી ગયો છે. પછી એ પ્રજ્ઞાને દબાવી દે માણસ અહંકારે કરીને, તો પાછું ગાંડું કાઢે.

પ્રશ્નકર્તા : આ પ્રજ્ઞા મહીં ચેતવે છે એ મન દ્વારા ચેતવે છે, બુદ્ધિ દ્વારા ચેતવે છે, ચિત્ત દ્વારા કે અહંકાર દ્વારા ચેતવે છે ?

દાદાશ્રી : પ્રજ્ઞા ચેતવે છે, તે અહંકારને ચેતવે છે, બીજા કોઈને નહીં.

પ્રશ્નકર્તા : પણ ડાયરેક્ટ ચેતવે કે ?

દાદાશ્રી : ડાયરેક્ટ. બીજા કોઈને અધિકાર જ નહીં ને ! અહંકારનો કોઈ ઉપરી નહીં. અહંકારનો ઉપરી નહીં છતાંય એ કહેલું કરે આખો દિવસ બુદ્ધિનું.

પ્રશ્નકર્તા : આ પ્રજ્ઞા અહંકારને ચેતવે ત્યારે બુદ્ધિ શું કરે ? ત્યારે પછી બુદ્ધિ છેટી પડી જાય છે ?

દાદાશ્રી : બુદ્ધિને શી લેવાદેવા ? બુદ્ધિ નામ જ ના દે.

પ્રશ્નકર્તા : કશું નહીં પછી ?

દાદાશ્રી : બુદ્ધિનું કાર્ય જ નહીં ને !

પ્રશ્નકર્તા : પ્રજ્ઞા હાજર થાય ત્યારે બુદ્ધિનું અસ્તિત્વ જ ના રહે ને ?

દાદાશ્રી : એટલે બુદ્ધિ એને હેલ્પ કરે પછી, અહંકાર કહે એ પ્રમાણે.

પ્રશ્નકર્તા : અચ્છા એટલે પછી સવળુંય પાછું બુદ્ધિ જ કરી આપે ?

દાદાશ્રી : પછી બધા ભેગા થઈને સવળું કરી નાખે. એકલી બુદ્ધિ નહીં, બધાય.

ફેર, ચિત્ત અને પ્રજ્ઞામાં

પ્રશ્નકર્તા : ચિત્ત અને પ્રજ્ઞામાં ફેર શો ?

દાદાશ્રી : ચિત્ત તો જે પૂર્વ જોયેલું હોય તે જ દેખે અને પ્રજ્ઞા તો નવું જ દેખે. પોતાના દોષ દેખાડે તે પ્રજ્ઞા. ચિત્ત બધાને જુએ પણ પ્રજ્ઞાને ના જોઈ શકે. પ્રજ્ઞાને તો આપણે જોઈ શકીએ. ચિત્ત જોયેલું દેખે; જ્યારે પ્રજ્ઞા વિશેષ જાણે.

પ્રશ્નકર્તા : આજે સવારે સામાયિકમાં આપનું નિદિધ્યાસન બધે થઈ રહેલું એ શું છે ? એને હું શુદ્ધ ચિત્ત સમજું છું.

દાદાશ્રી : ના, એ તો પ્રજ્ઞાશક્તિનું બધું કામ છે. શુદ્ધ ચિત્ત તો એ પોતે જ આત્મા છે. શુદ્ધાત્મા એ જ શુદ્ધ ચિદ્રુપ. આ તો પ્રજ્ઞા બધું કરે છે.

પ્રશ્નકર્તા : બધે દાદા બેઠેલા દેખાય એ શું ?

દાદાશ્રી : એ જ પ્રજ્ઞાને. અજ્ઞાશક્તિ છે તે બીજું દેખાડે. લક્ષ્મી દેખાડે, સ્ત્રીઓ દેખાડે એ અજ્ઞાશક્તિ. અજ્ઞાશક્તિ સ્ત્રીનું નિદિધ્યાસન કરાવડાવે અને પ્રજ્ઞાશક્તિ જ્ઞાની પુરુષનું. જ્ઞાની પુરુષ એટલે આત્માનું નિદિધ્યાસન કરાવે.

પ્રશ્નકર્તા : હવે જ્ઞાન લીધું છે અત્યારે એને પણ આ સ્ત્રીનું નિદિધ્યાસન ઊભું થાય તો એ અજ્ઞા ડિપાર્ટમેન્ટ છે ?

દાદાશ્રી : એ તો પેલો ચંદુભાઈનો ભાગ છે, એમાં આપણે શું લેવાદેવા ?

પ્રશ્નકર્તા : ના, એટલે ચિત્તનું આમાં ફંક્શન ક્યાં આવ્યું ?

(પા.૧૫)

દાદાશ્રી : એ તો ચંદુભાઈનો ભાગ છે, અશુદ્ધ ચિત્ત છે.

પ્રશ્નકર્તા : તો આ પ્રજ્ઞા જે જ્ઞાની પુરુષનું નિદિધ્યાસન કરાવે છે, એમાં ચિત્તનું ફંક્શન ક્યાં આવ્યું ?

દાદાશ્રી : એમાં ચિત્તની જરૂર જ નહીં, પ્રજ્ઞાશક્તિ પોતે જ દેખી શકે.

પ્રશ્નકર્તા : આ એક્ઝેક્ટ ફોટોગ્રાફી કહીએ છીએ ?

દાદાશ્રી : હા, એક્ઝેક્ટ. ફોટોગ્રાફી કરતા સારું.

પ્રશ્નકર્તા : ચિત્તનું કામ જ ના રહ્યું.

દાદાશ્રી : શુદ્ધ ચિત્ત હતું, તે આત્મામાં એક થઈ ગયું, આત્મામાં ભળી ગયું.

પ્રશ્નકર્તા : તો નિદિધ્યાસનને જોનારું કોણ ?

દાદાશ્રી : એ પ્રજ્ઞાશક્તિ.

પ્રશ્નકર્તા : એ પોતે જ જુએ ને પોતે જ ધારણ કરે ?

દાદાશ્રી : એ પોતે જ બધું, એની જ બધી ક્રિયાઓ. ચિત્તની જરૂર જ ના રહી ત્યાં આગળ.

પ્રશ્નકર્તા : આ શુદ્ધ ચિત્ત થાય ત્યારે પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે ને ?

દાદાશ્રી : શુદ્ધ ચિત્ત થાય ત્યારે શુદ્ધાત્મામાં ભેગું થાય. ત્યારે પછી પ્રજ્ઞાશક્તિની શરૂઆત થઈ જાય. શુદ્ધ ચિત્ત એ જ શુદ્ધ ચિદ્રુપ આત્મા.

શ્રદ્ધા-પ્રજ્ઞાની ઝીણી સમજ

પ્રશ્નકર્તા : શ્રદ્ધા, પ્રજ્ઞા, દ્રષ્ટા અને ચેતન, આ વિષે કહો કાંઈક.

દાદાશ્રી : દ્રષ્ટા અને ચેતન એક જ છે. શ્રદ્ધા બે પ્રકારની. સંસાર વ્યવહારમાં જે શ્રદ્ધાઓ રાખવામાં આવે છે ને, તે બધી મિથ્યાત્વ શ્રદ્ધા છે. અને આ બાજુ આવ્યો એ સમ્યક્ત્વ શ્રદ્ધા, જેને પ્રતીતિ કહેવામાં આવે છે. તે ચેતનનો ભાગ છે. અને પ્રજ્ઞા પણ ચેતનનો ભાગ છે પણ પ્રજ્ઞા એ જુદો... શ્રદ્ધા, પ્રતીતિ ભાગ છે અને પછી પાછો એક થઈ જાય છે, જ્યારે આ શ્રદ્ધા, પ્રતીતિ તો કાયમ જુદા જ રહેવાના. ગુણે કરીને જુદા અને સ્વભાવે કરી એક. શ્રદ્ધા તો મૂળ એનો સ્વભાવ જ છે. જ્યારે એ પ્રતીતિમાં આવે છે ત્યારે શ્રદ્ધારૂપે હોય છે અને પ્રજ્ઞા જુદી પડે છે. અને પ્રજ્ઞા પોતાનું કાર્ય કરી અને પછી એકાકાર થઈ જાય. ‘અજ્ઞા’ને નાશ કરવા માટે પ્રજ્ઞા છે. અજ્ઞાને નાશ કરવાનો ગુણ પ્રજ્ઞામાં છે પણ જુદી પડીને ‘અજ્ઞા’નો નાશ કરીને પછી એ આત્મામાં એક થઈ જાય છે. એટલે પ્રજ્ઞા તો પોતે આત્મા જ છે પણ જુદી પડી જાય છે માટે ‘પ્રજ્ઞા’ કહ્યું.

પ્રશ્નકર્તા : તો એમાં બેઝ થયો શ્રદ્ધા, પ્રતીતિ જે તમે કહો છો તે.

દાદાશ્રી : પ્રતિતી એ બેઝ, હા. એટલે આ જગતની પ્રતીતિ અવળી બેઠી કે સવળી બેઠી છે, એના ઉપરથી ચાલ્યું. અવળી બેઠેલી પ્રતીતિ આ સંસારમાં ભટક્યા જ કરે અને સવળી બેઠી એટલે મોક્ષે લઈ જાય. બેસાડનાર નિમિત્તની જરૂર છે.

સંબંધ, સૂઝ અને પ્રજ્ઞા તણો

પ્રશ્નકર્તા : તો આ કુદરતી જે સૂઝ છે, એને પ્રજ્ઞા જોડે શું સંબંધ છે ?

દાદાશ્રી : એ સૂઝ છે તે જ પ્રજ્ઞા ભણી લઈ જાય છે. હા, એ સૂઝ જ કામ કરે છે. આમાં કુદરતી રીતે કામ કરતું હોય તો એક સૂઝ, અજ્ઞાન દશામાં સૂઝ જ કામ કરે છે.

(પા.૧૬)

પ્રશ્નકર્તા : એ પ્રજ્ઞાનો ભાગ નહીં ?

દાદાશ્રી : ના, સૂઝ એ એટલા આવરણો ખુલ્યા કહેવાય છે.

પ્રશ્નકર્તા : સૂઝને પ્રજ્ઞા કહેવાય ?

દાદાશ્રી : ના. પ્રજ્ઞા એ જ્ઞાન છે અને આ સૂઝ તો દર્શન. અને અજ્ઞા એ બુદ્ધિ કહેવાય. એટલે દેખાય અમને તો. આગળ-પાછળનું એ, પાછળ શું થઈ રહ્યું છે તેય દેખાય. એટલે પેલો કહેશે, ‘હું પાછળ ઊભો છું. મેં હાથ ઊંચો કર્યો કે નહીં ?’ તે ના દેખાય, સ્થૂળ ના દેખાય, સૂક્ષ્મ દેખાય. જે સૂક્ષ્મ વિભાગ છે ને, એ બધું દેખાય. સમજને લીધે એ દેખાય. સ્થૂળ તો કેવળજ્ઞાન સંપૂર્ણ થાય ત્યારે બધું દેખાય.

મેં તો જોયું ને નળિયું-તળિયું બધું, નીચે હઉ જોયું કે આ નીચે કેવું છે, ઉપર કેવું છે, પરસ્પેક્ટિવ કેવું છે ? બધી બાજુ જોઈ લીધું એટલે જડી ગયું કે આ વાત આમ છે, આ તો. પરસ્પેક્ટિવ વ્યુ બહુ ઓછા માણસ જોઈ શકે. આમ સામા ઊભા રહેવું ને પરસ્પેક્ટિવ વ્યુથી જોવું, બે સાથે ન બની શકે. એ અમને આવડે.

પ્રશ્નકર્તા : દાદા, એને સૂઝ કહેવાય ?

દાદાશ્રી : નહીં, એ દર્શન છે. સૂઝ તો દરેક માણસને હોય. સૂઝ તો સહુ સહુના ગજા પ્રમાણે હોય. દર્શન ફેલાયેલું ને, વિસ્તાર પામેલું એ દર્શન. એની વાત જ જુદી ને ! હંઅ, આટલા બધા કડવા અનુભવોમાં પણ તે આનંદમાં રાખે, તેની વાત જ જુદી ને !

પ્રજ્ઞા ને સૂઝમાં ફેર

પ્રશ્નકર્તા : સૂઝ અને પ્રજ્ઞામાં શો ફેર છે ?

દાદાશ્રી : પ્રજ્ઞા એ કાયમી વસ્તુ છે ને સૂઝ ‘ચેન્જ’ માર્યા કરે. જેમ આગળ વધે તેમ સૂઝ ‘ચેન્જ’ થયા કરે. પ્રજ્ઞા એ ‘ટેમ્પરરી પરમેનન્ટ’ વસ્તુ છે. જ્યાં સુધી સંપૂર્ણપદ ના પ્રાપ્ત થાય, સિદ્ધદશા ના થાય ત્યાં સુધી જ પ્રજ્ઞા હોય. પ્રજ્ઞા સ્વરૂપજ્ઞાન પછી જ ઉત્પન્ન થાય છે; જ્યારે સૂઝ તો દરેકને સમસરણ માર્ગના માઈલે ઉત્પન્ન થતી બક્ષિસ છે.

પ્રશ્નકર્તા : પણ સૂઝ તો આત્માનો ‘ડિરેક્ટ’ પ્રકાશ છે ને ?

દાદાશ્રી : ના, એ ‘ડિરેક્ટ’ પ્રકાશ નથી. પણ અંતરસૂઝ એ તો કુદરતની એક જાતની ‘ગિફ્ટ’ છે. તે સંસારમાં કેમ કરવું ને કેમ નહીં, એ બધું ચલાવ્યા કરે.

પ્રશ્નકર્તા : સૂઝમાં બુદ્ધિ ના આવે ?

દાદાશ્રી : ના. બુદ્ધિ તો નફો ને ખોટ જ દેખાડે, બીજું કશું દેખાડે નહીં.

પ્રશ્નકર્તા : તો પ્રજ્ઞા અને સૂઝમાં શો ફેર ?

દાદાશ્રી : સૂઝ તો દરેકને હોય, જાનવરોનેય હોય. નાનું બચ્ચું હોય ને, તે એની સૂઝ પ્રમાણે ફર્યા કરે. કુરકુરિયું હોય તોયે એને સૂઝ હોય, પ્રજ્ઞા ના હોય. પ્રજ્ઞા એ તો જ્ઞાનનો પ્રકાશ થયા પછી ઉત્પન્ન થનારી વસ્તુ છે.

જ્ઞાન પછી પ્રજ્ઞાનું જ કામ

પ્રશ્નકર્તા : તો દાદા પાસે જે જ્ઞાન લે છે, એને જે બધું પછી મોક્ષમાર્ગની અંદર મદદ કર્યા કરે છે, ત્યાં સૂઝનું સ્થાન ખરું ?

દાદાશ્રી : એ પ્રજ્ઞાનું કામ. પછી પ્રજ્ઞાના કામમાં જાય. જ્ઞાન લીધું તે દહાડે સૂઝ ફૂલ (સંપૂર્ણ) થઈ જાય છે, કેવળદર્શન રૂપે થાય છે. પછી સૂઝ ખીલવાની રહી નહીં. પછી ગૂંચવાડો ઊભો ના થાય ને !

(પા.૧૭)

પ્રશ્નકર્તા : પ્રજ્ઞા મદદ કરે પછી ?

દાદાશ્રી : હા, બસ.

પ્રશ્નકર્તા : આપનું જ્ઞાન જેને પ્રાપ્ત થયું, એને હવે જે ઠેઠ મોક્ષ સુધીનો દરવાજો બતાવે છે, ગૂંચોનો નિકાલ બતાવે છે, એ સૂઝને ઠેકાણે પ્રજ્ઞા બતાવે છે ?

દાદાશ્રી : એ પ્રજ્ઞા. સૂઝ તો પૂરી થઈ ગઈ આપણી, ક્ષાયિક થઈ ગયું. હવે એ પ્રજ્ઞા દેખાડે છે. સૂઝ પૂરેપૂરી બેસી જાય ત્યારે ક્ષાયિક સમકિત કહેવાય, કેવળદર્શન કહેવાય. સૂઝ પૂરેપૂરી થઈ જાય, પછી એનું કામ પૂરું થઈ ગયું.

પ્રજ્ઞા ને પ્રતિષ્ઠિત આત્મામાં ફેર

પ્રશ્નકર્તા : પ્રજ્ઞા અને પ્રતિષ્ઠિત આત્મામાં ફરક ખરો ?

દાદાશ્રી : બહુ ફેર. પ્રતિષ્ઠિત આત્મા તો આપણે આ ‘ચંદુભાઈ’ છે તે અને પ્રજ્ઞા તો આત્માનો એક વિભાગ છે.

પ્રશ્નકર્તા : આ પ્રજ્ઞા જે છે તે પ્રતિષ્ઠિત આત્માને ચેતવે છે ?

દાદાશ્રી : હા, તે પ્રતિષ્ઠિત આત્મામાં અહંકાર ભાગને ચેતવે છે. હા, એ જેને છૂટવું છે એ ભાગને. બંધાવાનો અહંકાર અને છૂટવાનો અહંકાર. તે છૂટવાના અહંકારને ચેતવે છે.

પ્રશ્નકર્તા : એટલે મૂળ ચંદુભાઈને જ ચેતવે છે ને, એવું થયું ને ?

દાદાશ્રી : ના, અહંકારને. ચંદુભાઈ નામનો જે માલિક છે, અહંકાર. એ અહંકાર બે પ્રકારના. એક, જે અહંકારે આ ઊભું કર્યું અને એ અહંકાર ગયો. જે છૂટવા પાછો ફરે છે તે અહંકાર છે.

પ્રશ્નકર્તા : તેને ચેતવે છે.

દાદાશ્રી : હા. એટલે છૂટવા ફરે છે, તેને હેલ્પ થઈ ગઈ. બાકી છૂટવા ફરે એવો અહંકાર દરેકનામાં હોય તો ખરો જ પણ એને જ્યાં સુધી પેલી પ્રજ્ઞા ઊભી ના થાય ત્યાં સુધી કોણ કહે ? એટલે ગૂંચવાડામાં રહે.

શુદ્ધાત્મા, પ્રતિષ્ઠિત આત્મા ને પ્રજ્ઞા

પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા અને પ્રતિષ્ઠિત આત્મા વચ્ચે પ્રજ્ઞાથી સંબંધ ખરો ?

દાદાશ્રી : બેને સંબંધ ? આપણને પ્રજ્ઞાથી સંબંધ. પેલા લોકોને પ્રજ્ઞાય ના હોય. એને અજ્ઞાથી સંબંધ.

પ્રશ્નકર્તા : આત્માની સાથે અજ્ઞાનથી સંબંધ ખરો ?

દાદાશ્રી : આત્માને અજ્ઞાન અડે નહીં ને પ્રકાશને અંધારું શી રીતે અડે ? એ તો આધાર વગરનું કહેવાય અને આ તો પોતાના આધારે ઊભું રહેલું.

પ્રશ્નકર્તા : પોતાના એટલે શું ?

દાદાશ્રી : એટલે પોતાના ગુણધર્મથી. પુદ્ગલ પોતાના ગુણધર્મથી. પ્રતિષ્ઠિત આત્મા એટલે પાવર. પાવરવાળો ખલાસ થઈ જાય અને મૂળ વસ્તુને કશું ન થાય. બસ, બીજું કશું છે નહીં.

પ્રશ્નકર્તા : એ મૂળ વસ્તુમાંથી આ પ્રતિષ્ઠિત આત્મા ઊભો થયો ?

દાદાશ્રી : હા, પણ એ સંજોગવશાત્.

પ્રશ્નકર્તા : પ્રકૃતિને જાણે છે અને પ્રકૃતિના આધારે ચાલે છે, એ કોણ ?

દાદાશ્રી : એ અહંકાર, બસ. પ્રકૃતિને જાણે. જ્યારે વિચારવા બેસે ત્યારે બધું જાણે.

(પા.૧૮)

આ શાનાથી દોષ થયા એ બધુંય જાણે છે. અમુક જ ભાગ ઓછો હોય છે. બીજું બધું જાણે. નવ્વાણું સુધી જાણી શકે, સો ના જાણે. બુદ્ધિ એટલી બધી કેળવે તો નવ્વાણું સુધી જાણી શકે. પણ તોય છે તે અહંકારથી કામ ના થાય, શુદ્ધ જ જોઈએ.

પ્રશ્નકર્તા : પોતાને જાણે છે અને પોતાના આધારે ચાલે છે, એ કોણ છે ?

દાદાશ્રી : એ આપણી પ્રજ્ઞાશક્તિ છે. પોતે પોતાના પ્રકાશથી જ જાણી રહી છે. ચાલવાનું એટલે ચાલવાની ભાષામાં નહીં, એ વ્યાપે !

ધ્યેય શુદ્ધાત્મા, ધ્યાતા પ્રજ્ઞા

પ્રશ્નકર્તા : ધ્યાતા, ધ્યેય, ધ્યાન કોને કહેવાય ? ધ્યાતા શુદ્ધાત્મા છે કે પ્રતિષ્ઠિત આત્મા છે ?

દાદાશ્રી : આ જ્ઞાન લીધા પછી ધ્યાતા એ પ્રજ્ઞા છે, પ્રતિષ્ઠિત આત્માય નહીં. એ પ્રજ્ઞા ધ્યાતા, પછી ધ્યેય એ ‘પોતે’ ‘હું શુદ્ધાત્મા છું’ એ ધ્યેય. ધ્યાતા અને ધ્યેયની એકતા થઈ જાય એથી ધ્યાન ઉત્પન્ન થાય મહીં.

પ્રશ્નકર્તા : અત્યારે ધ્યાતા શુદ્ધાત્મા ન કહેવાય ?

દાદાશ્રી : શુદ્ધાત્મા તો આપણો ધ્યેય છે. શુદ્ધાત્મા થવું એ આપણું ધ્યેય છે. શુદ્ધાત્મા એ જ પરમાત્મા છે, એ જે કહો એ છે. ધ્યાતા પ્રજ્ઞા છે, ધ્યેય શુદ્ધાત્મા છે. કારણ કે આ શુદ્ધાત્મપદ આપ્યું તમને, તે પ્રતીતિપદ આપેલું છે. તમે શુદ્ધાત્મા થઈ ગયા નથી. પણ તેથી કરીને અપલક્ષણો ઊભા થાય તો તમારી જાતને એમ ના માનશો કે મારું બગડી ગયું. એટલા માટે ‘શુદ્ધાત્મા’ કહ્યું.

અત્યારે છે તે શુદ્ધાત્માને પ્રજ્ઞા સ્વરૂપ કહો કે અંતરાત્મ દશા કહો, દશા અંતરાત્મા કહેવાય. પણ અંતરાત્મ દશા ક્યાં સુધી, પ્રજ્ઞાસ્વરૂપ ક્યાં સુધી કે જ્યાં સુધી ફાઈલોનો નિકાલ કરવાનો છે ત્યાં સુધી. એ ફાઈલો નિકાલ થઈ રહે એટલે પેલું ફુલ ગવર્નમેન્ટ એટલે પરમાત્મા.

પ્રજ્ઞાથી શુદ્ધાત્મા જોડે અભેદતા

પ્રશ્નકર્તા : જ્ઞાન લીધા પછી જે પ્રજ્ઞા દ્રષ્ટિ ખીલે છે, એ પ્રજ્ઞા દ્રષ્ટિનું શુદ્ધાત્મા સાથે કોઈ રિલેશન ખરું ?

દાદાશ્રી : એ જ મૂળ, મૂળ શુદ્ધાત્માની શક્તિની શરૂઆત જ ત્યાંથી થાય છે. શુદ્ધાત્માનો અંશ છે એ, એનો ભાગ છે.

અમે ‘શુદ્ધાત્મા’ આપીએ છીએ ત્યારે તમારી મહીં પ્રજ્ઞાને બેસાડી દઈએ છીએ. એ પ્રજ્ઞાથી બધા એક જ છીએ પણ બુદ્ધિથી આપણે જુદા જુદા છીએ.

અત્યારે જે જુદા છે ને, શુદ્ધાત્મા ને તમારે ભેદ કેટલો છે, કે અત્યારે પ્રતિતીએ કરીને શુદ્ધાત્મા થયા. શ્રદ્ધા સંપૂર્ણ બેસી ગઈ કે ‘હું શુદ્ધાત્મા છું’, એની ખાત્રી થઈ. થોડો અનુભવ થયો, પણ તે રૂપ થયા નથી. એટલે તે રૂપ કરી દો, એવું ભગવાનને કહે છે એ અભેદતા.

પ્રશ્નકર્તા : એટલે બિલકુલ ભેદ નહીં.

દાદાશ્રી : ભેદ છે, હજુ ભેદ છે, મારે તમને હજુ શુદ્ધાત્મા કરવા પડે છે. પછી કરવા ના પડે, અભેદ થવાનું.

પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા જોડે અભેદ અહંકાર થાય છે ને ?

દાદાશ્રી : ના, અહંકાર નહીં. વ્યવહાર

(પા.૧૯)

નિકાલ કરવા માટે જે આ પ્રજ્ઞા જુદી પડી, તે હવે એક થઈ જાય, એટલે કામ થઈ ગયું.

પ્રશ્નકર્તા : કોણ કોની જોડે અભેદ થાય છે ?

દાદાશ્રી : પ્રજ્ઞા ને શુદ્ધાત્મા. બે જુદા છે તે એક થઈ જાય. અત્યારે ‘હું પણું’ પ્રજ્ઞામાં વર્તે છે. આપણે જે વર્તીએ છીએ તે પ્રજ્ઞામાં વર્તીએ છીએ, અહંકારમાં વર્તતા નથી હવે. એટલે ‘હું’ ચંદુભાઈમાં વર્તતો હતો, ત્યારે અહંકારમાં કહેવાય. અત્યારે પ્રજ્ઞામાં વર્તીએ છીએ. એટલે નથી શુદ્ધાત્મા, એટલે અંતરાત્મા જેને કહેવામાં આવે છે.

આ પ્રજ્ઞા અમારી લગભગ આત્મામાં સ્થિર થઈ ગયા જેવી જ હોય. એટલે અમારે શુદ્ધાત્મા બોલવું ના પડે કે વિચારવું ના પડે કશું. અને તે રૂપે અભેદતા જેવું જ લાગે. સહેજ બાકી છે ચાર ડિગ્રીએ કરીને. અને તમારે અભેદ થવાનું છે. ધીમે ધીમે ધીમે રહીને આ ફાઈલોનો જેમ જેમ નિકાલ થતો જાય, તેમ તેમ અભેદ થતો જાય. ફાઈલોનો પૂરેપૂરો નિકાલ થઈ ગયો કે અભેદ થઈ ગયો. ફાઈલોની જ ભાંજગડ છે આ બધી. પણ એ (પોતે - શુદ્ધ જ્ઞાન) અત્યારે છે તે પ્રજ્ઞા સ્વરૂપે છે અને પ્રજ્ઞા એ ભગવાનનો અમુક ભાગ છે. જ્યારે કામ પૂરું થઈ જશે એટલે એક થઈ જશે પાછી. ભગવાન ને આત્મા એક જ. એ આત્મા જ્યારે ભૌતિકમાંથી છૂટી અને પોતાના સ્વરૂપમાં જ રહે છે ત્યારે પરમાત્મા કહેવાય છે. નિરંતર સ્વરૂપની રમણતા એ જ પરમાત્મા અને સ્વરૂપની રમણતાય ખરી અને આય રમણતા ખરી, ત્યાં સુધી અંતરાત્મા, એ જ પ્રજ્ઞા !

મોક્ષમાં ઠેઠ સુધી બેસાડે પ્રજ્ઞા

પ્રશ્નકર્તા : આ જ્ઞાન લીધા પછી મહાત્માઓને પોતે શરીરથી જુદા છે એવું જે રહ્યા કરે છે, લક્ષ બેસી ગયું છે શુદ્ધાત્માનું અને પછી જોવાની બધી ક્રિયા ચાલ્યા કરે છે, તે બધી પ્રજ્ઞાથી થાય છે ને ?

દાદાશ્રી : બધું પ્રજ્ઞાશક્તિનું જ કામ.

પ્રશ્નકર્તા : તો એનો અર્થ જ્ઞાનક્રિયાથી જોવાનું, એ તો બહુ દૂર રહ્યું ?

દાદાશ્રી : એ જ, પ્રજ્ઞાશક્તિની જ જ્ઞાનક્રિયા અત્યારે. પેલી દરઅસલ જ્ઞાનક્રિયા તો, આ બધી ફાઈલોનો નિકાલ થઈ જાય ત્યારે એ જ્ઞાનક્રિયા થશે.

પ્રશ્નકર્તા : આપ્તવાણીમાં વાંચ્યું કે અશુદ્ધ છે, અશુભ છે, શુભ છે, એ ક્રિયાઓ જે જાણે છે તે બુદ્ધિ ક્રિયા છે અને ફક્ત જે શુદ્ધને જ જાણે છે તે જ્ઞાનક્રિયા છે. તેથી મને એમ થયું કે આપણી પ્રજ્ઞા બધું જુએ છે.

દાદાશ્રી : હા, પ્રજ્ઞાથી. એ પ્રજ્ઞા છે તે અમુક હદ સુધી, આ જ્યાં સુધી ફાઈલોનો નિકાલ કરે ત્યાં સુધી હોય પ્રજ્ઞા. ફાઈલ પૂરી થઈ ગઈ પછી આત્મા પોતે જ જાણે.

પ્રશ્નકર્તા : એટલે મોક્ષના દરવાજા સુધી મદદ કરવા માટે આ પ્રજ્ઞા છે ?

દાદાશ્રી : દરવાજા સુધી નહીં, મોક્ષમાં ઠેઠ સુધી બેસાડી દે. હા, પૂર્ણાહુતિ કરી આપનાર એ પ્રજ્ઞા.

પ્રશ્નકર્તા : પ્રજ્ઞાશક્તિ મોક્ષે જાય, પછી એ પાછી આવે ?

દાદાશ્રી : ના, એ શક્તિ મોક્ષમાં પહોંચાડતા સુધી જ રહે છે.

‘પ્રજ્ઞા’ એ જ કેવળજ્ઞાનના અંશ

કેવળજ્ઞાનના અંશ સ્વરૂપના ભાગને અમે

(પા.૨૦)

પ્રજ્ઞા કહીએ છીએ. પ્રજ્ઞા એ જ્ઞાન પર્યાય છે. જેમ જેમ આવરણો તૂટતા જાય, તેમ તેમ પ્રકાશ વધારે થાય અને તેટલું કેવળજ્ઞાન અંશે કરીને વધતું જાય. સંપૂર્ણ કેવળજ્ઞાન તો ૩૬૦ અંશ પૂરા થાય ત્યારે થાય.

જેમ એક માટલામાં હજારનો બલ્બ ફીટ કર્યો હોય અને માટલાનું મોઢું બંધ કરી દીધું હોય તો પ્રકાશ મળે ? ના મળે. તેવું આ મૂઢાત્માનું છે. મહીં તો અનંત જ્ઞાનપ્રકાશ છે, પણ આવરાયેલું હોવાથી અંધારું ઘોર છે. જ્ઞાની પુરુષની કૃપાથી, તેમની સિદ્ધિના બળથી માટલામાં જો સહેજ કાણું પડે, તો આખીય રૂમમાં પ્રકાશ ફેલાઈ જાય. તેટલું આવરણ તૂટ્યું અને તેટલો ડિરેક્ટ પ્રકાશ પ્રાપ્ત થયો. જેમ જેમ આવરણ તૂટતા જાય, જેમ જેમ વધારે ને વધારે કાણાં પડતા જાય, તેમ તેમ પ્રકાશ વધતો જાય. અને જ્યારે આખુંય માટલું ફૂટી જાય અને બલ્બથી જુદું પડી જાય ત્યારે સંપૂર્ણ પ્રકાશ બધે ફેલાઈ જાય ! ઝગમગાટ થઈ જાય !

ડિરેક્ટ જ્ઞાનકિરણ ફૂટે તે જ પ્રજ્ઞા કહેવાય. જ્યારે સર્વ આવરણોથી મુક્ત આત્મા થાય ત્યારે તેને આખાય બ્રહ્માંડને પ્રકાશવાની શક્તિ પ્રાપ્ત થાય, આખા બ્રહ્માંડને પ્રકાશે. બીજા શબ્દોમાં આખા બ્રહ્માંડના જ્ઞેયોને જોવાની-જાણવાની શક્તિ પ્રાપ્ત થાય તે જ કેવળજ્ઞાન.

સમજની પૂર્ણ દશા તે ‘પ્રજ્ઞા’

અમે આ જ્ઞાન આપીએ છીએ ને, તે કેવળદર્શનનું જ્ઞાન આપીએ છીએ, ક્ષાયક સમકિતનું જ્ઞાન આપીએ છીએ. એ કેવળજ્ઞાન નથી પણ આજ્ઞારૂપી કેવળજ્ઞાન છે અને કેવળદર્શનવાળું જ્ઞાન છે. એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ ચારેયવાળું જ્ઞાન છે. પછી એનું ક્ષાયક જ્ઞાન ક્યારે થાય ? જો અમારી આજ્ઞામાં રહે તો. તો એ સમજ પછી વર્તનમાં આવે ત્યારે ક્ષાયક જ્ઞાન થાય.

આપણું આ ‘કેવળદર્શન’ એટલે કે કેવળ સમજનું વિજ્ઞાન છે. પછી કેવળજ્ઞાનમાં આવે છે. તમને જે સમજમાં આવ્યું છે તે અનુભવમાં ના આવ્યું, માટે સમજમાં નહોતું એમ કહેવાય નહીં. સમજમાં આવે એ દર્શન અને અનુભવમાં આવે એ જ્ઞાન.

પ્રશ્નકર્તા : સમજ પાડો છો એ પહોંચે છે કોને, દેહને કે આત્માને ?

દાદાશ્રી : આત્માને જ ને ! પણ એ કયો આત્મા ? જે શુદ્ધાત્મા છે તે નહીં, પ્રજ્ઞા નામની શક્તિ છે, તેની જોડે સત્સંગ ચાલ્યા કરે. દેહનેય નહીં, દેહ ને આત્મા બેની વચ્ચેની શક્તિ છે, તેને પહોંચે છે. પ્રજ્ઞાશક્તિ જ સમજે છે આ. અહીં સમજાવે, તેને ગ્રહણ કરે છે એ પ્રજ્ઞાશક્તિ છે.

પ્રજ્ઞા ને સમજમાં ખાસ ફેર નથી. સમજ ‘ફૂલ’ (પૂર્ણ) દશામાં હોય ત્યારે પ્રજ્ઞા કહેવાય. સંસારમાં બધી સૂઝ પડે પણ પોતાની સૂઝ ના પડે કે ‘હું કોણ છું,’ ત્યાં સુધી ‘કેવળ દર્શન’ ના થાય.

પ્રજ્ઞાશક્તિ ક્યાં સુધી રહે છે, કે આપણે આ જ્ઞાન મળે તેથી આત્મા થયા, પણ હજુ આત્મા શ્રદ્ધામાં, પ્રતીતિમાં, દર્શનમાં છે પણ જ્ઞાનમાં નથી આવ્યો, આ ચારિત્રમાં નથી આવેલો, ત્યાં સુધી પ્રજ્ઞાશક્તિ કામ કર્યા કરે.

પ્રજ્ઞા ચેતવે, જાગૃતિ પકડી લે

પ્રશ્નકર્તા : પ્રજ્ઞાશક્તિ અને જાગૃતિમાં કંઈ ફેર ?

દાદાશ્રી : એ જાગૃતિ ફૂલ (પૂર્ણ) થાય ને, એટલે પ્યૉર થતું થતું ફૂલ થાય ત્યારે કેવળજ્ઞાન કહેવાય. પ્રજ્ઞાશક્તિ પછી ખલાસ થાય છે.

(પા.૨૧)

પ્રજ્ઞાશક્તિ આપણને મોક્ષે જતાં સુધી હેલ્પ કરે. આત્મા તો નિરંતર કેવળજ્ઞાન જ છે. અજવાળાને કશું અડે નહીં.

પ્રશ્નકર્તા : એટલે ઠેઠ (કેવળજ્ઞાન થતાં) સુધી જાગૃતિ અને પ્રજ્ઞાશક્તિ હોય ?

દાદાશ્રી : હા, પ્રજ્ઞાશક્તિ અને જાગૃતિ બે સાથે ચાલે. પ્રજ્ઞાશક્તિ એને વાળ વાળ કરે અને જાગૃતિ એ પકડી લે.

પ્રજ્ઞાના પ્રકાશે, દેખાય દોષો

પ્રજ્ઞા એ તો આત્માનું એક અંગ છે, તે આત્માનો અને બહારનો સાંધો કરાવે છે. શુદ્ધાત્મા તો શુદ્ધ જ છે, પણ પ્રજ્ઞા શું કરે છે, કે વ્યવહાર, વ્યવહારમાં રહે અને તહેવાર તહેવારમાં રહે ને પોતાને શુદ્ધાત્મામાં રાખે. પ્રજ્ઞા તો નિરંતર સંસારમાંથી કાઢ કાઢ કરે ને મોક્ષ ભણી લઈ જાય. આત્માના અનંત પ્રદેશો છે, તે બધા ઉપર આવરણ છે. તમને જ્ઞાન આપ્યું છે તેથી દહાડે દહાડે આવરણ જેમ જેમ તૂટતાં જાય, તેમ તેમ પ્રકાશ વધતો જાય, દોષો દેખાતા જાય. અને જેટલા દોષો દેખાયા એટલા નાસી જાય. આ તો આખું દોષોથી ભરેલું પૂતળું છે, ને બધા દોષો પૂરા થાય પછી મોક્ષ થાય ! ‘જ્ઞાન’ મળ્યા પછી ચંદુભાઈ અને તમે ‘પોતે’ જુદા પડી જાવ, પછી પ્રજ્ઞાથી ચંદુભાઈના દોષો દેખાતા જાય. જેટલા દોષો દેખાયા એટલા એ જાય. ‘જ્ઞાન’ ના હોય તો નર્યા દોષો ગ્રહણ જ થતા હતા, ના ઘાલવા હોય તોય પેસી જતા હતા. હવે જ્ઞાન પછી દોષો છૂટતા જાય ને જેટલા દોષોએ વિદાયગીરી લીધી એટલા વીતરાગ થવાય ! અંતે પરમાત્માસ્વરૂપ થવું જોઈએ, પણ આત્મસ્વરૂપ થયા વગર સાચી સમજશક્તિ ના આવે. વીતરાગો આત્મસ્વરૂપ થયેલા અને તેથી સમજી કરીને દોષોનો નિકાલ કર્યો ને મોક્ષે ગયા !

દાદા પાસે બેસી સમજી લેવું પડે

પ્રશ્નકર્તા : અમને આ ભવે જ જ્ઞાનથી અવળું વર્તન ‘સ્ટોપ’ (બંધ) થઈ જશે કે નહીં ?

દાદાશ્રી : થઈયે જાય ! ‘જ્ઞાની પુરુષ’ના કહ્યા પ્રમાણે કરે તો પાંચ-દસ વર્ષમાં થઈ જાય. અરે, વરસ દહાડામાંય થઈ જાય ! ‘જ્ઞાની પુરુષ’ તો ત્રણ લોકના નાથ કહેવાય, ત્યાં આગળ શું ના થાય ? કશું બાકી રહે ખરું ?

આ દાદા પાસે બેસીને બધું સમજી લેવું પડે. સત્સંગ માટે ટાઈમ કાઢવો પડે.

‘અમે કેવળજ્ઞાન પ્યાસી,

દાદાને કાજે આ ભવ દેશું અમે જ ગાળી.’

- નવનીત

આમને તૃષા શેની લાગી છે ? ત્યારે એ કહે, ‘કેવળજ્ઞાનની જ તૃષા છે. અમારે હવે બીજી કોઈ તૃષા રહી નથી.’ ત્યારે આપણે એને કહીએ, ‘મહીં રહી છે તૃષા, તેની તપાસ તો ઊંડી કર.’ ત્યારે કહે, ‘એ તો પ્રકૃતિમાં રહી છે, મારી નથી રહી. પ્રકૃતિમાં તો કોઈને ચાર આની રહી હોય, કોઈને આઠ આની રહી હોય, તો કોઈને બાર આની રહી હોય.’ તો ‘બાર આનીવાળાને ભગવાન દંડ કરતા હશે ?’ ત્યારે કહે, ‘ના બા, તારી જેટલી ખોટ તેટલી તું પૂરી કર.’

હવે પ્રકૃતિ છે ત્યાં સુધી એની બધી ખોટો પૂરી થઈ જ જવાની. જો ડખો નહીં કરો, ડખલ નહીં કરો તો પ્રકૃતિ ખોટ પૂરી કરી દેવાની છે. પ્રકૃતિ પોતાની ખોટ પોતે પૂરી કરે છે. હવે આમાં ‘હું કરું છું’ કહે કે ડખો થાય !

‘જ્ઞાન’ ના લીધું હોય તો પ્રકૃતિનું આખો દહાડો અવળું જ ચાલ્યા કરે અને હવે તો સવળું જ ચાલ્યા કરે. તું સામાને ચોપડી દઉં, પણ મહીં

(પા.૨૨)

કહે કે ‘ના, આવું ના કરાય. ચોપડી દેવાનો વિચાર આવ્યો, તેનું પ્રતિક્રમણ કરો.’ અને જ્ઞાન પહેલાં તો ચોપડી દઉં ને ઉપરથી કહું કે વધારે આપવા જેવું છે.

એટલે અત્યારે જે મહીં ચાલ્યા કરે છે તે સમકિતબળ છે, જબરજસ્ત સમકિતબળ છે ! તે રાત-દા’ડો નિરંતર કામ કર્યા જ કરે !

પ્રશ્નકર્તા : એ બધું પ્રજ્ઞા કામ કરે છે ?

દાદાશ્રી : હા, એ પ્રજ્ઞા કામ કરી રહી છે. પ્રજ્ઞા ઘસડી ઘસડીને પણ મોક્ષમાં લઈ જાય.

પ્રશ્નકર્તા : પણ દાદા, પ્રકૃતિનો ફોર્સ ઘણીવાર બહુ આવે છે ?

દાદાશ્રી : એ તો જેટલી ભારે પ્રકૃતિ હોય એટલો ફોર્સ વધારે હોય.

પ્રશ્નકર્તા : પણ તે વખતે ‘જ્ઞાન’ પણ એટલું જ જોરદાર ચાલે છે.

દાદાશ્રી : હા, ‘જ્ઞાને’ય જોરદાર ચાલે. આ ‘અક્રમ વિજ્ઞાન’ છે, એટલે મારંમાર, લડી-કરીને પણ ઠેકાણે લાવી દે !

પ્રજ્ઞા ખીલે તેમ બદલાય વર્તન

સત્સંગથી પ્રજ્ઞાશક્તિ ખીલે. જેમ જેમ પ્રજ્ઞા ખીલતી જાય તેમ તેમ વર્તન બદલાતું જાય. વર્તન બદલાય એટલે બોજો ઓછો લાગે. ‘પોતાનું’ અને ‘પરાયું’ એમ હોમ ડિપાર્ટમેન્ટ અને ફોરેન ડિપાર્ટમેન્ટ બન્નેને છુટ્ટા જ રાખે છે તે પ્રજ્ઞા છે, તે જ આત્મા છે, તે જ ચારિત્ર છે. વર્તન એ જ ચારિત્ર. એ વર્તન એટલે ‘સ્વ’ અને ‘પર’ને એકાકાર ના થવા દે તે.

પરાયું છે તે ક્યારેય પોતાનું ના માનવા દે અને પોતાનું છે તે ક્યારેય પરાયું ના માનવા દે તે પ્રજ્ઞા ! કિંચિત્ પરભારી ચીજ પોતાની ના મનાય તો તે પરમાત્મા જ છે. ‘પોતાનું’ અને ‘પરાયું’ છૂટું રાખવાની શ્રદ્ધા છે પણ વર્તનમાં નથી તે પ્રજ્ઞા છે; એવી શ્રદ્ધા એ જ પ્રજ્ઞા છે અને એવું વર્તન એ જ આત્મા છે, એ જ ચારિત્ર્ય છે. વર્તન એટલે આત્મા અને અનાત્માને એકાકાર ના થવા દે તે.

પ્રજ્ઞાશક્તિને વાંધો ન આવે એટલા માટે જ્ઞાની પુરુષનું સેવન કરવાથી એ શક્તિ મજબૂત થયા કરે. એ શક્તિને કોઈ હરકત ના આવવી જોઈએ. હજુ એકદમ આવેલી હોય અને કોઈ હરકત આવે તો ઊડી જાય.

પ્રજ્ઞા પળાવે પાંચ આજ્ઞા

પ્રશ્નકર્તા : પ્રજ્ઞાનું જોર લાવવું હોય તો શું કરવું ?

દાદાશ્રી : આ પાંચ આજ્ઞા પાળે એટલે પ્રજ્ઞા ઊભી થઈ જાય, બીજું કશું નહીં. તમને આજ્ઞામાં રહેવાનું જે થાય છે, એ તમે પૂછો કે કોને લઈને થાય છે ? તે પ્રજ્ઞા કરે છે એ. પ્રકાશ દે, એનું નામ પ્રજ્ઞા પાડ્યું.

આ જ્ઞાન મળ્યા પછી પ્રજ્ઞા તો તરત જ કામ કરે, પછી ‘એનો’ (પોતાનો) કઈ બાજુમાં પુરુષાર્થ છે ! પુરુષાર્થ એટલે પાંચ આજ્ઞા પાળવી. પુરુષ થયા પછી પુરુષાર્થ ના કરે તો એમની પોતાની જ ભૂલ છે ને ! જ્ઞાન મળ્યા પછી પુરુષ થયો કહેવાય. અને પુરુષ થયા પછી એ આજ્ઞા પાળે એટલે પુરુષોત્તમ થયા કરે. પુરુષોત્તમ થાય એ પરમાત્મા છે. રસ્તો જ પદ્ધતસરનો હાઈવે છે ને !

પ્રશ્નકર્તા : આજ્ઞા કોણ પાળે છે, એ પ્રતિષ્ઠિત આત્મા પાળે છે ને ?

દાદાશ્રી : પ્રતિષ્ઠિત આત્માને આજ્ઞા

(પા.૨૩)

પાળવાનો સવાલ જ ક્યાં છે આમાં ? આ તો તમારે જે આજ્ઞા પાળવાની છે, તે તમારો જે પ્રજ્ઞા સ્વભાવ છે, તે તમને બધું કરાવડાવે છે. આત્માની પ્રજ્ઞા નામની શક્તિ છે, એટલે બીજું ક્યાં રહ્યું તે ? વચ્ચે કોઈની ડખલ જ નથી ને ! એ આજ્ઞા પાળવાની. અજ્ઞાશક્તિ ન્હોતી કરવા દેતી, તે પ્રજ્ઞાશક્તિ કરવા દે. એ આજ્ઞા પાળી એટલે તમારે છે તે પ્રતીતિમાં છે ‘હું શુદ્ધાત્મા છું’ એવું અને લક્ષમાં છે પણ અનુભવમાં થોડું છે. તે રૂપ થયા નથી હજુ. એ થવા માટે પાંચ આજ્ઞા પાળે ત્યારે તે રૂપ થાય. એટલે બીજું કશું કરવાનું બાકી ના રહ્યું.

એટલે આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ જ તપ. જ્યાં સુધી તપ છે, ત્યાં સુધી પ્રજ્ઞા છે. ત્યાં સુધી મૂળ સ્વરૂપ નથી. એ આત્મામાં તપ નામનો ગુણ છે નહીં, એ પ્રજ્ઞા તપ કરાવે છે.

રિયલ-રિલેટિવ જાગૃતિએ વધે પ્રજ્ઞાબળ

પ્રશ્નકર્તા : પ્રજ્ઞાનું બળ કેવી રીતે વધે ?

દાદાશ્રી : પ્રજ્ઞાનું બળ તો આ આજ્ઞા જેટલી પાળો ને તમે (તેમ વધે). આ પાંચ આજ્ઞા આપી છે ને, રિલેટિવ-રિયલ જોવાનું, વ્યવસ્થિત શક્તિ તો સમજાઈ ગઈ છે તમને. વ્યવસ્થિત સમજાઈ ગયું છે ને ? અને પછી ફાઈલોનો સમભાવે નિકાલ કરવાનો. બસ એ પાંચ આજ્ઞા પાળે ને, એટલે પેલી પ્રજ્ઞાશક્તિ અંદર વધતી જાય. આ પ્રોટેક્શનને માટે આપેલું છે, આ જ્ઞાનને પ્રોટેક્ટ કરવા માટે. કારણ કે વાડોળિયું (વાડોલિયું) ના મૂકીએ તો બકરા ચરી ખાય. હજુ આવડો છે, છોડવો થયો છે નાનો તે. એટલે આ પ્રોટેક્શનની વાડ છે. એક કલાક રિલેટિવ ને રિયલ જોવાનો અભ્યાસ કરી દેવો. એ અભ્યાસ પહેલાનો... અન્અભ્યાસથી આ અભ્યાસ થતો નથી. અન્અભ્યાસ ઘણા કાળનો, એટલે અભ્યાસને હેન્ડલ મારવાથી, પછી સહજ થઈ જાય. પછી આપણે હેન્ડલ ના મારવું પડે. સહેજ બહાર નીકળ્યા ને, કે બધું દેખાયા જ કરે. જેમ છે એમ યથાર્થ દેખાય.

જ્ઞાન, વિજ્ઞાન ને પ્રજ્ઞા

પ્રશ્નકર્તા : જ્ઞાન અને પ્રજ્ઞામાં ફરક શું છે ?

દાદાશ્રી : પ્રજ્ઞા તે જ્ઞાનથી ઉત્પન્ન થનારી એક શક્તિ છે.

પ્રશ્નકર્તા : જ્ઞાન, વિજ્ઞાન અને પ્રજ્ઞા એ ત્રણ વચ્ચેનો ભેદ શું ?

દાદાશ્રી : જ્ઞાન એટલે પોતાને કરવું પડે. જેટલું જાણીએ એટલું પોતાને કરવું પડે અને વિજ્ઞાન એની મેળે જ થઈ જાય, આપણે કરવું ના પડે અને પ્રજ્ઞા એ બેની વચ્ચેની સ્થિતિ છે. એક ફેરો તમે વૈજ્ઞાનિક રીતે સમજી ગયા કે આ દવા પીવાથી માણસ મરી જ જાય છે. પછી ફરી એ દવા તમે પીવો નહીં, કોઈ દા’ડોય. અને એમ ને એમ તમને કો’ક કહે, કે આ દવા પોઈઝનસ છે ને આ દવાથી મરી જવાય છે, તો પણ પી જાય માણસ. એટલે જે જ્ઞાન ક્રિયાકારી હોય એ વૈજ્ઞાનિક જ્ઞાન કહેવાય. જે જ્ઞાન ક્રિયાકારી હોય, ખુદ જ (સ્વયં) ક્રિયાકારી એ વિજ્ઞાન. અને જે જ્ઞાન ક્રિયાકારી નથી, પોતે કરવું પડે એ જ્ઞાન. દયા રાખો, શાંતિ રાખો, તે કરવું પડે. એ પોતાથી થાય નહીં પાછું એ જ્ઞાન કહેવાય.

એટલે શાસ્ત્રમાં જ્ઞાન છે, શાસ્ત્રમાં વિજ્ઞાન ન હોય. શાસ્ત્રમાં શાસ્ત્રજ્ઞાન હોય અને ‘આ’ વિજ્ઞાન છે. એટલે ચેતનજ્ઞાન મહીં અંદર કામ કર્યા કરે, એ જ્ઞાન જ કામ કર્યા કરે અને શાસ્ત્રનું જ્ઞાન ગમે એટલું વાંચો, ગોખો, કામ ન કરે. આપણે કરવું પડે અને આ વિજ્ઞાન તો એની મેળે જ કામ કર્યા કરે. જાગૃતિ અંદરથી આપે, બધું એની મેળે જ થયા કરે. તમારે કરે છે ને, બધું

(પા.૨૪)

એની મેળે ? એનું નામ વિજ્ઞાન. વિજ્ઞાન એટલે શું ? ચેતનજ્ઞાન, જે જ્ઞાન ચેતન છે, એ જાગૃત થયેલું છે એ જ વિજ્ઞાન છે ને એ જ આત્મા છે. અત્યારે પ્રજ્ઞા સ્વરૂપે છે. જ્યારે પ્રજ્ઞા એનું કામ પૂરું કરી લેશે, જ્યારે આ ફાઈલોનો નિકાલ થઈ રહેશે, એટલે પ્રજ્ઞા પોતાના સ્વસ્વરૂપે થઈ જશે, પરમાત્મા સ્વરૂપે.

પ્રશ્નકર્તા : પ્રજ્ઞા સ્વથી ક્યારે અભિન્ન છે ?

દાદાશ્રી : અત્યારે સ્વથી અભિન્ન નથી, પણ એનો કહેવાનો ભાવાર્થ શું છે ? પ્રજ્ઞા એ સ્વરૂપ છે. અત્યારે જ્યાં સુધી આત્મા પ્રગટ થયો નથી, ત્યાં સુધી કંઈક ગુનો થાય કે તરત ચેતવવાનું એ બધું કામ પ્રજ્ઞાનું છે. જ્યારે વીતરાગતા થાય છે, બહાર ગુના નહીં થાય, પછી પ્રજ્ઞા પોતે જ ‘સ્વરૂપ’ છે.

એ પ્રજ્ઞા છે અને તે જ મૂળ આત્મા છે, પણ અત્યારે પ્રજ્ઞા ગણાય. મૂળ આત્માની આવી કોઈ ક્રિયા હોય નહીં, જે મોક્ષે લઈ જાય. પ્રજ્ઞા એનું કામ પૂરું થઈ ગયું ત્યારે એ આત્મામાં પાછી હતી એવી ને એવી સ્થિર થઈ જાય.

અમારી પ્રજ્ઞાશક્તિએ જોયેલું અક્રમ વિજ્ઞાન

આ વિજ્ઞાન છે, એટલે આપણને તેનો અનુભવ થાય અને મહીં અંદરથી જ ચેતવે. હવે પેલું તો આપણે કરવા જવું પડે અને આ અંદરથી જ ચેતવે.

પ્રશ્નકર્તા : હવે અંદરથી ચેતવણી મળે છે એ અનુભવ થયો છે.

દાદાશ્રી : હવે આપણને આ માર્ગ મળી ગયો અને શુદ્ધાત્માની જે બાઉન્ડ્રી છે, તેના પહેલા જ દરવાજાની અંદર પ્રવેશ થઈ ગયો. જ્યાંથી કોઈ પાછું ન કાઢી શકે. કોઈને પાછા કાઢવાનો અધિકાર નથી, એવી જગ્યાએ તમે પેઠા !

(પા.૨૫)

‘જ્ઞાન’ મળ્યા સિવાય પ્રજ્ઞાની શરૂઆત થાય નહીં. અગર તો સમકિત થયું હોય તો પ્રજ્ઞાની શરૂઆત થાય. તે સમકિતમાં પ્રજ્ઞાની શરૂઆત કેવી રીતે થાય ? બીજના ચંદ્રમા જેવી શરૂઆત થાય. તે આપણા અહીં તો આખી ફુલ પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે. ફૂલ પ્રજ્ઞા એટલે પછી મોક્ષમાં લઈ જવા માટે જ એ ચેતવે છે. ત્યારે ભરતરાજાને તો ચેતવનારા રાખવા પડેલા, નોકર રાખવા પડેલા. તે પંદર પંદર મિનીટે બોલે કે ‘ભરતરાજા, ચેત ચેત ચેત.’ ત્રણ વખત બોલે. જો તમારે તો મહીંથી જ પ્રજ્ઞા ચેતવે. પ્રજ્ઞા નિરંતર ચેતવ ચેતવ કર્યા કરે, કે ‘એય... આમ નહીં.’ આખો દહાડો ચેતવ ચેતવ જ કરે.

પ્રજ્ઞાશક્તિ તો શું કહે છે ? ચેત અને જો. બીજું કશું ડખો કરવાની જરૂર નથી. અને એ જ આત્માનો અનુભવ! નિરંતર આખો દહાડો એ જ આત્માનો અનુભવ.

ગમે તેવા વિકટ સંયોગો આવે ત્યારે અમારું જ્ઞાન હાજર થઈ જાય, અમારી વાણી હાજર થઈ જાય, અમે હાજર થઈ જઈએ અને તમે જાગૃતિમાં આવી જાવ ! ક્ષણે ક્ષણે જાગૃત રાખે તેવું અમારું આ ‘અક્રમ જ્ઞાન’ છે.

‘આ’ વિજ્ઞાન શેનાથી જોયેલું છે ? ‘પ્રજ્ઞાશક્તિ’થી. સંસારમાં બુદ્ધિથી જોયેલું જ્ઞાન કામનું, પણ આપણે ‘અહીં’ તો નિર્મળ જ્ઞાન જોઈશે. છેવટે બુદ્ધિ વગરનું વિજ્ઞાન થશે ત્યારે કામ થશે. ‘અક્રમ વિજ્ઞાન’ શેનાથી જોઈ રહ્યું છે ? પ્રજ્ઞાશક્તિથી !

પ્રજ્ઞા એ આત્માની પ્રતિનિધિ છે. આત્માની ‘પાવર ઓફ એટર્ની’ એની પાસે છે. માટે આ કામ કાઢી લેવા જેવું છે. જો એક ફેરો સાંધો મેળવી લીધો હોય તો કાયમી ઉકેલ આવી જાય !

- જય સચ્ચિદાનંદ

અહંકાર મુક્તિ પછીની શ્રેણીઓ

પ્રશ્નકર્તા : આ જ્ઞાન પછી નિરંતર અહંકાર રહિત કેવી રીતે થઈ શકાય ?

દાદાશ્રી : એ દશા જ થયેલી છે તમારી.

પ્રશ્નકર્તા : ફાઈલ નંબર એકનું સતત નિરીક્ષણ કરવાથી અહંકાર રહિત થઈ શકાય ?

દાદાશ્રી : ‘હું ચંદુભાઈ છું’ એ ડ્રામેટિક (નાટકીય) એટલે નામને જાણવા ખાતર અને ‘હું ખરેખર ચંદુભાઈ નથી ને હું શુદ્ધાત્મા છું’ એ જ અહંકાર રહિત. પહેલાં તો ‘હું ખરેખર ચંદુભાઈ’ જ બોલતા’તા, એનું નામ જ અહંકાર અને ‘હું શુદ્ધાત્મા છું’ એવું ભાન થાય, તે પછી અહંકાર નહીં.

પ્રશ્નકર્તા : રોંગ બિલીફ આપણે કહીએ છીએ, એ અને અહમ્ભાવ એ એક જ ?

દાદાશ્રી : રોંગ બિલીફ (અવળી માન્યતા) એ જ અહંકાર છે અને રાઈટ બિલીફ (સવળી માન્યતા) એ શુદ્ધાત્મા છે. મૂળ જગ્યાએ ‘હું’ હતું ને તે આરોપિત જગ્યાએ બેસે એનું નામ અહંકાર. કલ્પિત જગ્યાએ, જ્યાં નથી ત્યાં આગળ હું બોલવામાં આવે એ જ ઇગોઇઝમ અને મૂળ સ્વરૂપમાં બેસે, ‘હું શુદ્ધાત્મા છું’, એને ઇગોઇઝમ ના કહેવાય. એ છે જ, હકીકત છે જ.

ઇગોઇઝમ ઉડાડવાનો રસ્તો કોઈ જગ્યાએ વર્લ્ડમાંય નથીને !

પ્રશ્નકર્તા : બરોબર છે. આ તો એક કલાકમાં ઇગોઇઝમ જતો રહે, એ કોઈએ સાંભળ્યું જ નથીને !

દાદાશ્રી : હા, અને પછી દિવ્યચક્ષુ સાથે જ !

પ્રશ્નકર્તા : અને કોઈ માનવા તૈયાર નહીં થાય.

દાદાશ્રી : માનવા તૈયાર નહીં, માને જ નહીંને ! તેથીને, મારા કેટલાય ઓળખાણવાળા નથી માનતા, તેથી નથી પામતા.

પ્રશ્નકર્તા : પણ જેણે જ્ઞાન નથી લીધું એને એવું લાગે કે આ ‘હું શુદ્ધાત્મા છું’ બોલવું એ અહંકાર છે.

દાદાશ્રી : એને તો એવું જ લાગે. એ લોકોને સત્-અસત્નો વિવેક નથી હોતો. આપણને સત્-અસત્નો વિવેક હોય છે કે વ્યવહારથી અસત્ છું અને નિશ્ચયથી સત્ છું. આ દુનિયામાં કોઈને ખબર જ નથી આ, વ્યવહાર-નિશ્ચયનો ભેદ ! એટલે એ એમ જ માને કે વ્યવહારમાં હતો તેનો તે જ અત્યારે હું આ છું. એટલે એમને અહંકાર કહેવાય. અને એ પોતાનું જેવું માને એવું જ આપણને માને. એ જાણે કે હવે તમે શુદ્ધાત્માનો અહંકાર કરો છો !

આપણે સમજીએ કે આ જુદો અને હું શુદ્ધાત્મા છું, એવું આપણને શુદ્ધાત્માનું લક્ષ બેસી ગયું કે ‘હું ખરેખર આ જ છું’.

આપણા જ્ઞાન લીધેલાંઓને જ્ઞાન આપ્યું તે દહાડે અહંકાર કાઢી નાખ્યો. પણ આમને બિચારાંને સમજણ ના પડેને ? આપણા મહાત્માઓ બધાનો અહંકાર ગયેલો જ છે. જેમણે જ્ઞાન લીધેલું નહીંને, એટલે એમનો અહંકાર ના જાય અને એ ડિસ્ચાર્જ (નિર્જીવ) અહંકારને જ અહંકાર સમજે.

- પરમ પૂજ્ય દાદાશ્રીની જ્ઞાનવાણીમાંથી સંકલિત